આરંભમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં. ત્યારે પૃથ્વી આકારરહિત અને ખાલી હતી. જલનિધિ પર અંધકાર હતો. પાણીની સપાટી પર ઈશ્વરનો આત્મા ધુમરાઈ રહ્યો હતો. ત્યારે ઈશ્વરે કહ્યું, “પ્રકાશ થાઓ,” એટલે પ્રકાશ થયો. ઈશ્વરે તે પ્રકાશ જોયો અને તે તેમને સારો લાગ્યો. પછી ઈશ્વરે પ્રકાશ અને અંધકારને જુદા પાડયા. ઈશ્વરે પ્રકાશને દિવસ કહ્યો અને અંધકારને રાત કહી. સાંજ પડી અને સવાર થયું. આ પહેલો દિવસ હતો. પછી ઈશ્વરે કહ્યું, “પાણીની વચમાં ધુમ્મટ થાઓ અને પાણીને બે ભાગમાં જુદાં કરો.” એટલે એમ થયું. ઈશ્વરે ધુમ્મટ બનાવ્યો અને ધુમ્મટથી તેની નીચેનાં પાણી અને તેની ઉપરનાં પાણી જુદાં પડયાં. ઈશ્વરે તે ધુમ્મટને આકાશ કહ્યું. સાંજ પડી અને સવાર થયું. આ બીજો દિવસ હતો. પછી ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાણી એક સ્થળે એકઠાં થાઓ અને કોરી ભૂમિ દેખાઓ.” એટલે તે પ્રમાણે થયું. ઈશ્વરે કોરી ભૂમિને ‘પૃથ્વી’ કહી અને એકઠાં થયેલાં પાણીને સમુદ્રો કહ્યા. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું. પછી તેમણે કહ્યું, “ભૂમિ સર્વ પ્રકારની વનસ્પતિ એટલે જેમાં પોતપોતાની જાત પ્રમાણેનાં બીજ હોય એવા અનાજના છોડ તથા વિવિધ ફળાઉ વૃક્ષો ઉગાડો.” એટલે તે પ્રમાણે થયું. ભૂમિએ સર્વ પ્રકારની વનસ્પતિ એટલે જેમાં પોતપોતાની જાત પ્રમાણેનાં બીજ હોય એવા અનાજના છોડ તથા ફળાઉ વૃક્ષો ઉગાવ્યાં. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું. સાંજ પડી અને સવાર થયું. આ ત્રીજો દિવસ હતો. પછી ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસને જુદાં પાડવા માટે આકાશના ધુમ્મટમાં જ્યોતિઓ થાઓ. એ જ્યોતિઓ દિવસો, વર્ષો અને ઋતુઓનો સમય સૂચવવા ચિહ્નરૂપ બની રહો. પૃથ્વીને પ્રકાશ આપવા આ જ્યોતિઓ આકાશમાં પ્રકાશિત થાઓ.” એટલે એમ થયું. આમ, ઈશ્વરે બે મોટી જ્યોતિઓ ઉત્પન્‍ન કરી: દિવસ પર અમલ ચલાવવા સૂર્ય અને રાત પર અમલ ચલાવવા ચંદ્ર. વળી, તેમણે તારાઓ પણ ઉત્પન્‍ન કર્યા. ઈશ્વરે એ જ્યોતિઓને પૃથ્વી પર પ્રકાશ આપવા, દિવસ તથા રાત પર અમલ ચલાવવા અને પ્રકાશ તથા અંધકારને અલગ પાડવા આકાશના ધુમ્મટમાં મૂકી. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું. *** સાંજ પડી અને સવાર થયું. આ ચોથો દિવસ હતો. પછી ઈશ્વરે કહ્યું, “પાણી અસંખ્ય જળચરોથી ભરપૂર થાઓ અને પૃથ્વી પર આકાશમાં પક્ષીઓ ઊડો.” એટલે તે પ્રમાણે થયું. ઈશ્વરે મહાકાય માછલાં, પોતપોતાની જાત પ્રમાણે બધી જાતનાં જળચરો અને પોતપોતાની જાત પ્રમાણે બધી જાતનાં પક્ષીઓનું સર્જન કર્યું. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું. પછી ઈશ્વરે તેમને આશિષ આપતાં કહ્યું, “ફળવંત થાઓ, વૃદ્ધિ પામો અને સમુદ્રનાં પાણીને ભરપૂર કરો. પક્ષીઓ પણ પૃથ્વી પર પુષ્કળ પ્રમાણમાં વધો.” સાંજ પડી અને સવાર થયું. આ પાંચમો દિવસ હતો. પછી ઈશ્વરે કહ્યું, “ભૂમિ પોતપોતાની જાત પ્રમાણેનાં સજીવ પ્રાણીઓ એટલે બધી જાતનાં પાળવાનાં પ્રાણીઓ, બધી જાતનાં પેટે ચાલતાં પ્રાણીઓ તથા વન્યપશુઓ ઉપજાવો.” એટલે એમ થયું. આમ, ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણેનાં બધી જાતનાં પાળવાનાં પ્રાણીઓ, બધી જાતનાં પેટે ચાલતાં પ્રાણીઓ તથા વન્યપશુઓ ઉત્પન્‍ન કર્યાં. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું. પછી ઈશ્વરે કહ્યું, “હવે આપણે આપણી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે માનવજાત બનાવીએ. જેથી તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશમાંના પક્ષીઓ પર અને આખી પૃથ્વીનાં પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ અને વન્યપશુઓ પર અધિકાર ચલાવે.” ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે જ માનવજાતનું સર્જન કર્યું. તેમણે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતનું પુરુષ અને સ્ત્રી તરીકે સર્જન કર્યું. ઈશ્વરે તેમને આશિષ આપતાં કહ્યું, “ફળવંત થાઓ, વૃદ્ધિ પામો અને પૃથ્વીને ભરપૂર કરો તથા તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારાં બધાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.” વળી, ઈશ્વરે તેમને કહ્યું, “મેં તમને હરેક પ્રકારના બીજદાયક ધાન્યના છોડ તેમ જ હરેક પ્રકારના બીજદાયક ફળનાં વૃક્ષો ખોરાક માટે આપ્યાં છે. પરંતુ જેમનામાં જીવનનો શ્વાસ છે એવાં પૃથ્વી પરનાં સર્વ પ્રાણીઓ, આકાશમાંનાં સર્વ પક્ષીઓ અને પૃથ્વી પર પેટે ચાલતાં સર્વ પ્રાણીઓ માટે મેં સઘળી વનસ્પતિ આપી છે.” અને એમ જ થયું. ઈશ્વરને પોતે બનાવેલું બધું ખૂબ સારું લાગ્યું. સાંજ પડી અને સવાર થયું. આ છઠ્ઠો દિવસ હતો. આમ, ઈશ્વરે આકાશ તથા પૃથ્વી અને સમસ્ત સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ કર્યું. સાતમા દિવસ સુધીમાં તેમણે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું અને સાતમે દિવસે તેમણે પોતાનાં સર્વ કામોથી વિશ્રામ લીધો. ઈશ્વરે સાતમા દિવસને આશિષ આપી અને તેને પવિત્ર દિવસ તરીકે અલગ કર્યો; કારણ, તે દિવસે ઈશ્વરે પોતાનું સર્જનકાર્ય પૂર્ણ કરીને આરામ લીધો. આકાશ તથા પૃથ્વીના સર્જનનું આ વર્ણન છે. પ્રભુ પરમેશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં. ત્યારે પૃથ્વી પર ખેતરનો કોઈ છોડ કે કોઈ શાકભાજી ઊગ્યાં નહોતાં. કારણ, ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીન ખેડનાર પણ કોઈ નહોતું. પણ ધરતીમાંથી ઝરણાં ફૂટી નીકળ્યાં અને તેમણે ભૂમિના ઉપલા આખા પડને ભીનું કરી દીધું. પ્રભુ પરમેશ્વરે ભૂમિની માટીમાંથી માણસ બનાવ્યો. તેમણે તેનાં નસકોરાંમાં જીવનદાયક શ્વાસ ફૂંક્યો એટલે માણસ જીવંત પ્રાણી બન્યો. પ્રભુ પરમેશ્વરે પૂર્વ તરફ એદનમાં એક બાગ બનાવ્યો અને તેમાં પોતે બનાવેલા માણસને રાખ્યો. તેમણે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં સુંદર અને સારાં ફળ આપનાર વૃક્ષ ઉગાવ્યાં. બાગની વચમાં જીવનદાયક વૃક્ષ તેમજ ભલાભૂંડાનું જ્ઞાન આપનાર વૃક્ષ પણ ઉગાવ્યાં. બાગમાં પાણી સિંચવા માટે એદનમાંથી એક નદી વહેતી હતી અને ત્યાં જ તેના ફાંટા પડી જઈ ચાર નદીઓ બનતી હતી. પહેલી નદીનું નામ પિશોન છે; તે આખા હવીલા પ્રદેશની ફરતે વહે છે. એ પ્રદેશમાં ઉત્તમ પ્રકારનું સોનું તેમજ અમૂલ્ય એવા પન્‍ના તથા અકીકના પથ્થરો મળે છે. બીજી નદીનું નામ ગિહોન છે; તે આખા ઈથિયોપિયા દેશની ફરતે વહે છે. ત્રીજી નદી તૈગ્રિસ છે; તે આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. ચોથી નદીનું નામ યુફ્રેટિસ છે. પ્રભુ પરમેશ્વરે એદન બાગમાં ખેડકામ કરવા અને તેનું રક્ષણ કરવા તેમાં તે માણસને રાખ્યો. તેમણે માણસને આજ્ઞા આપી: “બાગમાંના પ્રત્યેક વૃક્ષનું ફળ તું ખાઈ શકે છે, પણ ભલાભૂંડાનું જ્ઞાન આપનાર વૃક્ષનું ફળ તારે ખાવું નહિ; કારણ, જે દિવસે તું તે ખાશે તે જ દિવસે તું નક્કી મરણ પામશે.” પછી પ્રભુ પરમેશ્વર બોલ્યા, “માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય સહાયકારી બનાવીશ.” એટલે તેમણે માટીમાંથી પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ અને આકાશનાં પક્ષીઓ ઉપજાવ્યાં અને એ માણસ તેમનાં શું નામ પાડશે તે જોવા તેમને તેની પાસે લાવ્યા. માણસે સર્વ પાલતુ પ્રાણીઓ, આકાશનાં પક્ષીઓ અને વન્ય પશુઓનાં નામ પાડયાં; પરંતુ તેને માટે યોગ્ય એવી સહાયકારી મળી નહિ. પછી પ્રભુ પરમેશ્વરે માણસને ભરઊંઘમાં નાખ્યો અને જ્યારે તે ઊંઘતો હતો ત્યારે તેની એક પાંસળી લીધી અને તેની જગ્યાએ માંસ ભર્યું. તેમણે માણસમાંથી લીધેલી પાંસળીમાંથી એક સ્ત્રી બનાવી. પ્રભુ પરમેશ્વર તેને તે માણસ પાસે લાવ્યા. ત્યારે માણસ બોલી ઊઠયો: “અરે, આ તો મારા હાડકામાંનું હાડકું છે અને મારા માંસમાંનું માંસ છે. તે નારી કહેવાશે; કારણ, તે નરમાંથી લીધેલી છે.” આ જ કારણથી પુરુષ પોતાનાં માતપિતાને છોડીને પોતાની પત્નીને વળગી રહે છે અને તેઓ બન્‍ને એક દેહ બને છે. એ પુરુષ અને સ્ત્રી બન્‍ને નગ્ન હતાં, પણ તેઓ શરમાતાં નહોતાં. પ્રભુ પરમેશ્વરે બનાવેલાં બધાં પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. સાપે સ્ત્રીને પૂછયું, “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે, બાગમાંના કોઈ વૃક્ષનું ફળ તમારે ખાવું નહિ?” સ્ત્રીએ સાપને કહ્યું, “બાગમાંના દરેક વૃક્ષનું ફળ ખાવાની અમને છૂટ છે, પરંતુ ઈશ્વરે અમને કહ્યું છે, ‘બાગની મધ્યે આવેલા વૃક્ષનું ફળ તમારે ખાવું નહિ કે તેને અડકવું નહિ, નહિ તો તમે મરી જશો.” સાપે કહ્યું “એ સાચું નથી. તમે નહિ જ મરશો. એ તો ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તે ફળ ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે અને તમે ઈશ્વરના જેવાં બનશો અને ભલાભૂંડાનું જ્ઞાન ધરાવતાં થઈ જશો.” *** સ્ત્રીએ જોયું કે તે વૃક્ષ દેખાવમાં સુંદર, તેનું ફળ ખાવામાં સારું અને જ્ઞાનપ્રાપ્તિ માટે ઇચ્છવાજોગ છે. તેથી સ્ત્રીએ એક ફળ તોડીને ખાધું. તેણે તે પોતાના પતિને પણ આપ્યું એટલે તેણે પણ તે ખાધું. ફળ ખાતાંની સાથે જ બન્‍નેની આંખો ઊઘડી ગઈ અને પોતે નગ્ન છે તેનો તેમને ખ્યાલ આવી ગયો અને તેથી તેમણે અંજીરીનાં પાંદડાં સીવીને પોતાનાં શરીર ઢાંક્યાં. પછી દિવસને ઠંડે પહોરે તેમણે બાગમાં પ્રભુનો પગરવ સાંભળ્યો. પેલો માણસ તથા તેની પત્ની પ્રભુ પરમેશ્વરની દૃષ્ટિથી બાગનાં વૃક્ષો મધ્યે સંતાઈ ગયાં. પરંતુ પ્રભુ પરમેશ્વરે પુરુષને હાંક મારીને કહ્યું, “તું કયાં છે?” પુરુષે જવાબ આપ્યો, “મેં બાગમાં તમારો પગરવ સાંભળ્યો અને હું નગ્ન હોવાથી મને ડર લાગ્યો એટલે હું સંતાઈ ગયો.” પ્રભુ પરમેશ્વરે તેને પૂછયું, “તને કોણે કહ્યું કે તું નગ્ન છે? જે વૃક્ષનું ફળ ખાવાની મેં તને મના કરી હતી, તેનું ફળ શું તેં ખાધું છે?” પુરુષે જવાબ આપ્યો, “મારા સાથી તરીકે જે સ્ત્રી તમે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું અને મેં તે ખાધું.” પ્રભુ પરમેશ્વરે સ્ત્રીને પૂછયું, “તેં શા માટે એવું કર્યું?” સ્ત્રીએ કહ્યું, “સાપે મને ભરમાવી અને મેં તે ખાધું.” પ્રભુ પરમેશ્વરે સાપને કહ્યું, “તેં આ કામ કર્યું છે, તેથી સર્વ પાલતુ પ્રાણીઓ અને વન્યપશુઓમાં માત્ર તું જ શાપિત થાઓ. હવેથી તું પેટે ચાલશે અને જિંદગીભર ધૂળ ચાટયા કરશે. હું તારી અને સ્ત્રીની વચ્ચે, તારાં સંતાન અને તેના સંતાન વચ્ચે કાયમનું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, અને તું તેની એડીએ કરડશે.” પછી ઈશ્વરે સ્ત્રીને કહ્યું, “હું તારું ગર્ભધારણનું દુ:ખ વધારીશ અને બાળકને જન્મ આપવામાં તને ભારે વેદના થશે. છતાંય તું તારા પતિની ઝંખના સેવ્યા કરીશ અને તે તારા પર અધિકાર ચલાવશે.” તેમણે પુરુષને કહ્યું, “તેં તારી પત્નીનું કહેવું માન્યું છે અને મેં મના કરેલ વૃક્ષનું ફળ ખાધું છે તેથી તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તારે પોતાનો ખોરાક મેળવવા જીવનભર સખત પરિશ્રમ કર્યા કરવો પડશે. જમીન તારે માટે કાંટા અને ઝાંખરાં ઉગાડશે અને વનવગડાના છોડ તારો ખોરાક થઈ પડશે. કપાળેથી પરસેવો પાડી પાડીને તું ખોરાક મેળવશે, અને એમ કરતાં કરતાં જે ભૂમિમાંથી તને લેવામાં આવ્યો છે એમાં તું પાછો મળી જશે. કારણ, તું માટીનો બનેલો છે અને માટીમાં ભળી જશે.” અને આદમે પોતાની પત્નીનું નામ હવ્વા પાડયું; કારણ, તે સર્વ સજીવોની મા હતી. પ્રભુ પરમેશ્વરે આદમ તથા તેની પત્નીને ચામડાનાં વસ્ત્ર બનાવીને પહેરાવ્યાં. પછી પ્રભુ પરમેશ્વરે કહ્યું, “જુઓ, માણસ તો આપણા જેવો ભલુંભૂડું જાણનાર બન્યો છે. તેથી હવે તેને જીવનદાયક વૃક્ષનું ફળ ખાવા દેવાય નહિ, નહિ તો તે અમર બની જાય.” તેથી પ્રભુ પરમેશ્વરે જે ભૂમિમાંથી આદમને બનાવ્યો હતો તેમાં ખેતી કરવા માટે તેને એદન બાગની બહાર કાઢી મૂક્યો. પછી જીવનદાયક વૃક્ષને સાચવવા માટે પ્રભુ પરમેશ્વરે પાંખવાળા કરુબ અને ચારે તરફ વીંઝાતી અગ્નિરૂપી તલવાર એદન બાગની પૂર્વમાં મૂક્યાં. પછી આદમે હવ્વા સાથે સમાગમ કર્યો; અને તે ગર્ભવતી થઈ અને તેણે કાઈન (અર્થાત્ પ્રાપ્ત થયેલો) ને જન્મ આપ્યો. ત્યારે તે બોલી, “પ્રભુની કૃપાથી મને નરબાળક પ્રાપ્ત થયો છે. પછી તેણે તેના ભાઈ હાબેલને જન્મ આપ્યો. હાબેલ ઘેટાંપાલક બન્યો, જ્યારે કાઈન ખેડૂત બન્યો. કેટલાક સમય પછી કાઈન ભૂમિની ઊપજમાંથી પ્રભુ માટે કંઈક અર્પણ લાવ્યો. પરંતુ હાબેલે પોતાના ઘેટાં-બકરાંમાંથી પ્રથમજનિતનું ચરબીયુક્ત બલિદાન ચડાવ્યું. પ્રભુ હાબેલ તથા તેના અર્પણથી પ્રસન્‍ન થયા. પણ તેમણે કાઈનને તથા તેના અર્પણને સ્વીકાર્યું નહિ. તેથી કાઈનને ખૂબ ક્રોધ ચડયો અને તેનું મોં ઊતરી ગયું. તેથી પ્રભુએ કાઈનને કહ્યું, “તને શા માટે ક્રોધ ચડયો છે? તારું મોં કેમ ઊતરી ગયું છે? જો તું સારું કરે તો શું હું તારો સ્વીકાર ન કરું? પણ જો તું સારું ન કરે તો તારા હૃદયમાં પાપ છૂપાઈ રહેશે. પાપ તારા પર આધિપત્ય જમાવવા માગે છે, પણ તારે તેને અંકુશમાં લેવું જોઈએ.” પછી કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “ચાલ, આપણે ખેતરમાં જઈએ.” તેઓ ખેતરમાં હતા ત્યારે કાઈને પોતાના ભાઈ હાબેલ પર હુમલો કરીને તેને મારી નાખ્યો. પ્રભુએ કાઈનને પૂછયું, “તારો ભાઈ હાબેલ કયાં છે?” તેણે કહ્યું, “હું જાણતો નથી; શું હું મારા ભાઈનો રખેવાળ છું?” પ્રભુએ કહ્યું, “તેં આ શું કર્યું છે? સાંભળ! તારા ભાઈનું રક્ત બદલો લેવા માટે મને ભૂમિમાંથી પોકારી રહ્યું છે. તું હવે શાપિત થયો છે અને જે ભૂમિએ તારા હાથથી વહેવડાવેલ રક્ત શોષી લીધું છે તે ભૂમિમાંથી તને હાંકી કાઢવામાં આવે છે. હવે પછી તું જ્યારે ખેતી કરશે ત્યારે જમીનમાંથી કંઈ પાકશે નહિ અને તું નિર્વાસિત જેવો આ પૃથ્વી પર આમતેમ ભટક્તો ફરીશ.” કાઈને પ્રભુને કહ્યું, “આ સજા મારે માટે અસહ્ય છે. આજે તમે મને તમારી સંમુખથી આ પ્રદેશમાંથી કાઢી મૂકો છો, એટલે હું પૃથ્વી પર ભટક્તો ફરીશ; અને જે કોઈ મને જોશે તે મને મારી નાખશે.” પ્રભુએ તેને કહ્યું, “એમ નહિ થાય. જે કોઈ વેરની વસૂલાત માટે કાઈનને મારી નાખશે તેને સાતગણી સખત સજા થશે.” કાઈનને કોઈ મારી નાખે નહિ તે માટે પ્રભુએ તેના પર ચિહ્ન મૂકાયું. પછી કાઈન પ્રભુની સમક્ષતામાંથી ચાલ્યો ગયો અને એદનની પૂર્વે આવેલા નોદ નામના પ્રદેશમાં રહ્યો. પછી કાઈને પોતાની પત્ની સાથે સમાગમ કર્યો; તે ગર્ભવતી થઈ અને તેણે હનોખને જન્મ આપ્યો. પછી કાઈને એક શહેર બાંધ્યું અને પોતાના પુત્રના નામ પરથી તે શહેરનું નામ “હનોખ” પાડયું. હનોખના પુત્રનું નામ ઇરાદ હતું. ઇરાદ મહૂયાએલનો પિતા હતો, મહૂયાએલ મથુશેલાનો પિતા હતો અને મથુશેલા લામેખનો પિતા હતો. લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં; એકનું નામ આદા અને બીજીનું નામ સિલ્લા હતું. હવે આદાએ યાબાલને જન્મ આપ્યો. યાબાલ તંબુમાં વસનારાઓનો અને પશુપાલકોનો પૂર્વજ હતો. તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે તારવાળાં વાજિંત્રો વગાડનારા અને ફૂંકીને વગાડવાનાં વાજિંત્રો વગાડનારાઓનો પૂર્વજ હતો. પછી સિલ્લાએ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. તે તાંબાનાં તથા લોખંડનાં શસ્ત્રો ઘડનાર હતો. નાઅમા તૂબાલ-કાઈનની બહેન હતી. લામેખે પોતાની પત્નીઓ આદા તથા સિલ્લાને કહ્યું: “મારી પત્નીઓ, મારું સાંભળો: મને ઘાયલ કરવાના બદલામાં મેં એક માણસને મારી નાખ્યો; મને ઇજા પહોંચાડવાના બદલામાં મેં એક યુવાનને મારી નાખ્યો. જો કોઈ કાઈનને મારે તો તેના વેરની વસૂલાત સાતગણી થાય, પરંતુ જે કોઈ મને મારે તો તેના વેરની વસૂલાત સિત્તોતેરગણી થાય.” આદમે ફરી પોતાની પત્ની સાથે સમાગમ કર્યો. તેણે પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ (અર્થાત્ ‘આપ્યો છે’) પાડયું. કારણ, તેણે કહ્યું, “કાઈને હાબેલને મારી નાખ્યો. તેથી ઈશ્વરે હાબેલના બદલામાં મને આ પુત્ર આપ્યો છે.” પછી શેથને પુત્ર થયો; તેણે તેનું નામ અનોશ પાડયું. એ સમયથી લોકો યાહવેના નામે પ્રાર્થના કરવા લાગ્યા. આદમની વંશાવળી આ પ્રમાણે છે. ઈશ્વરે માનવજાતને ઉત્પન્‍ન કરી ત્યારે તેમણે તેમને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યાં. તેમણે તેમનું પુરુષ તથા સ્ત્રી તરીકે સર્જન કર્યું, તેમને આશિષ આપી અને તેમનું નામ ‘માણસ’ પાડયું. આદમ 130 વર્ષનો થયો ત્યારે તેને પોતાની પ્રતિમા અને પોતાના સ્વરૂપ પ્રમાણે પુત્ર થયો અને તેણે તેનું નામ શેથ પાડયું. શેથના જન્મ પછી આદમ બીજાં આઠસો વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. આદમ 930 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. શેથ 105 વર્ષનો થયો ત્યારે તેને અનોશ નામે પુત્ર થયો. અનોશના જન્મ પછી શેથ બીજાં 807 વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. શેથ 912 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. અનોશ 90 વર્ષનો થયો ત્યારે તેને કેનાન નામે પુત્ર થયો. કેનાનના જન્મ પછી અનોશ બીજાં 815 વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. અનોશ 905 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. કેનાન 70 વર્ષનો થયો ત્યારે તેને માહલાલએલ નામે પુત્ર થયો. માહલાલએલના જન્મ પછી તે બીજાં 840 વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. કેનાન 910 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. માહલાલએલ 65 વર્ષનો થયો ત્યારે તેને યારેદ નામે પુત્ર થયો. યારેદના જન્મ પછી માહલાલએલ બીજાં 830 વર્ષ જીવ્યો, તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. માહલાલએલ 895 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. યારેદ 162 વર્ષનો થયો ત્યારે તેને હનોખ નામે પુત્ર થયો. હનોખના જન્મ પછી તે બીજાં 800 વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. યારેદ 962 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. હનોખ 65 વર્ષનો થયો ત્યારે તેને મથૂશેલા નામે પુત્ર થયો; મથૂશેલાના જન્મ પછી હનોખ બીજાં ત્રણસો વર્ષ ઈશ્વરની સાથે ચાલ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. હનોખ 365 વર્ષ સુધી જીવ્યો. તેણે પોતાનું આખું જીવન ઈશ્વરની સંગતમાં ગાળ્યું. પછી તે અલોપ થઈ ગયો. કારણ, ઈશ્વરે તેને પોતાની પાસે ઉપાડી લીધો. મથૂશેલા 187 વર્ષનો થયો ત્યારે તેને લામેખ નામે પુત્ર થયો. લામેખના જન્મ પછી મથૂશેલા બીજાં 782 વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. મથૂશેલા 969 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. લામેખ 182 વર્ષનો થયો ત્યારે તેને પુત્ર થયો. તેણે તેનું નામ નૂહ (રાહત)* પાડયું; કારણ, તેણે કહ્યું, “પ્રભુએ આ ભૂમિને શાપ આપ્યો છે; તેથી અમારે સખત મહેનતમજૂરી કરવી પડે છે. આ બાળક અમને તેમાંથી રાહત પમાડશે.” નૂહના જન્મ પછી લામેખ બીજાં 595 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. લામેખ 777 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. નૂહ પાંચસો વર્ષનો થયો ત્યારે તેને ત્રણ પુત્રો થયા: શેમ, હામ, યાફેથ. પૃથ્વીના પટ પર માનવવસ્તી વધવા લાગી અને માણસોને પુત્રીઓ પણ થઈ ત્યારે ઈશ્વરના પુત્રોએ જોયું કે માણસોની પુત્રીઓ સુંદર છે. તેથી તેમણે પોતાને મનપસંદ કન્યાઓ સાથે લગ્ન કર્યાં. ત્યારે પ્રભુએ કહ્યું, “મારો આત્મા માણસમાં સદા વાસો કરશે નહિ, કારણ, માણસ આખરે મર્ત્ય છે. હવે પછી માણસની આયુમર્યાદા માત્ર 120 વર્ષની રહેશે.” તે દિવસોમાં અને તે પછી પણ પૃથ્વી પર રાક્ષસી કદના માણસો વસતા હતા. તેઓ ઈશ્વરના પુત્રો અને માણસોની પુત્રીઓથી જન્મ્યા હતા. તેઓ પ્રાચીનકાળના શક્તિશાળી અને નામાંક્તિ વીરપુરુષો હતા. પ્રભુએ જોયું કે સમગ્ર પૃથ્વી પર બધા માણસો અત્યંત દુરાચારી બની ગયા છે. તેમનાં મનનું વલણ સતત ભૂંડાઈ તરફ જ છે. ત્યારે પૃથ્વી પર માનવજાતને ઉત્પન્‍ન કરવા બદલ તે દિલગીર થયા અને તેમનાં અંતરમાં ભારે ખેદ થયો. તેથી તેમણે કહ્યું, “મેં ઉત્પન્‍ન કરેલ પૃથ્વી પરના સર્વ માણસોનો, પશુઓનો, પેટે ચાલનારાં પ્રાણીઓનો તેમ જ પક્ષીઓનો હું વિનાશ કરીશ; તેમનું સર્જન કરવા બદલ મને દિલગીરી થાય છે.” છતાં પ્રભુની દૃષ્ટિમાં નૂહ કૃપા પામ્યો. આ નૂહની વાત છે: તે ઈશ્વરપરાયણ અને પોતાના જમાનામાં એકમાત્ર નિર્દોષ માણસ હતો. તે ઈશ્વરની સંગતમાં ચાલતો. તેને ત્રણ પુત્રો હતા: શેમ, હામ અને યાફેથ. હવે પૃથ્વી ઈશ્વરની દૃષ્ટિમાં દુષ્ટ થઈ ગઈ હતી અને અત્યાચારથી ભરેલી હતી. ઈશ્વરે પૃથ્વી પર જોયું તો તેમાં નરી દુષ્ટતા હતી; કારણ, પૃથ્વી પરનાં બધાં માણસોએ દુષ્ટતાનો માર્ગ અપનાવ્યો હતો. ઈશ્વરે નૂહને કહ્યું, “મેં બધા લોકોનો અંત લાવી દેવાનો નિશ્ર્વય કર્યો છે. હું લોકોનો પૃથ્વી પરથી સંપૂર્ણ સંહાર કરીશ. કારણ, પૃથ્વી હિંસાખોરીથી ભરાઈ ગઈ છે. તો હવે તું તારે માટે ગોફેરવૃક્ષના લાકડામાંથી વહાણ બનાવ, તેમાં તું ઓરડીઓ બનાવ, વહાણને અંદર તેમ જ બહાર ડામર લગાવ. વહાણ આશરે 140 મીટર લાંબું, 23 મીટર પહોળું અને 13.5 મીટર ઊંચું બનાવ. વહાણની ઉપર છાપરું બનાવ, અને છાપરા તથા દીવાલો વચ્ચે આશરે 44 સેન્ટીમીટર જેટલી જગ્યા રાખ. વળી, વહાણ ત્રણ માળનું બનાવ, અને એક તરફ દરવાજો મૂક. આકાશ નીચેની તમામ જીવસૃષ્ટિનો નાશ કરવા માટે હું જળપ્રલય મોકલવાનો છું. તેનાથી જીવનનો શ્વાસ ધરાવનાર પ્રત્યેક પ્રાણીનો નાશ થશે. પરંતુ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ. તું, તારી પત્ની, તારા પુત્રો તથા તેમની પત્નીઓએ વહાણમાં જવાનું છે. વળી, તારે તારી સાથે બધી જાતનાં પ્રાણીની જોડ એટલે એક નર અને એક માદા તેમને જીવતાં રાખવા માટે લેવાનાં છે. દરેક જાતનાં પક્ષી, દરેક જાતનાં પ્રાણીઓ અને પેટે ચાલનાર સજીવો એકએક જોડમાં તેમને જીવતાં રાખવા માટે વહાણમાં લેવાનાં છે. વળી, તારે માટે અને તેમને માટે તું હરેક પ્રકારના ખોરાકનો વહાણમાં સંગ્રહ કર. અને નૂહે બધું ઈશ્વરની આજ્ઞા પ્રમાણે કર્યું. પ્રભુએ નૂહને કહ્યું, “તું અને તારું આખું કુટુંબ વહાણમાં જાઓ, કારણ, આ જમાનામાં મને માત્ર તું એકલો જ યથાયોગ્ય રીતે વર્તનાર જણાયો છે. તું તારી સાથે સર્વ જાતનાં શુદ્ધ પ્રાણીઓની નરમાદાની સાત સાત જોડ અને સર્વ જાતનાં અશુદ્ધ પ્રાણીઓની નરમાદાની એક એક જોડ લે. વળી, સર્વ જાતનાં પક્ષીઓની નરમાદાની સાત સાત જોડ લે. એ રીતે પૃથ્વી પર બધા સજીવોનો વંશવેલો ચાલુ રહેશે અને તેઓ પૃથ્વી પર ફરી વૃદ્ધિ પામશે. સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત વરસાદ વરસાવીશ અને મેં સર્જેલા બધા સજીવો પૃથ્વી પરથી નાશ પામશે.” નૂહે બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. પૃથ્વી પર જળપ્રલય થયો ત્યારે નૂહ છસો વર્ષનો હતો. તે, તેની પત્ની, તેના પુત્રો અને તેની પુત્રવધૂઓ જળપ્રલયથી બચવા વહાણમાં ગયાં. ઈશ્વરે આપેલી આજ્ઞા પ્રમાણે શુદ્ધ અને અશુદ્ધ પ્રકારનાં સર્વ જાતનાં પ્રાણીઓ, પક્ષીઓ અને પેટે ચાલનારા જીવો પણ નરમાદાની જોડમાં નૂહ સાથે વહાણમાં ગયાં. *** સાત દિવસ પછી જળપ્રલય થયો. નૂહના આયુષ્યના છસોમા વર્ષના બીજા માસના સત્તરમા દિવસે આમ થયું: ભૂગર્ભજળનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને આકાશની બારીઓ ખૂલી ગઈ. અને ચાલીસ દિવસ અને ચાલીસ રાત સુધી પૃથ્વી પર વરસાદ પડયો. તે જ દિવસે નૂહ, તેના ત્રણ પુત્રો એટલે શેમ, હામ અને યાફેથ, નૂહની પત્ની તથા તેની પુત્રવધૂઓ વહાણમાં ગયાં. દરેક જાતનાં વન્યપશુઓ, ઢોરઢાંક, પેટે ચાલનારા જીવો અને પક્ષીઓ પણ તેમની સાથે ગયાં. ઈશ્વરની આજ્ઞા પ્રમાણે સર્વ સજીવ પ્રાણીઓ નરમાદાની જોડમાં નૂહ સાથે વહાણમાં ગયાં. પછી પ્રભુએ વહાણનો દરવાજો બંધ કર્યો. *** પૃથ્વી પર ચાલીસ દિવસ સુધી જળપ્રલય ચાલુ રહ્યો અને પાણી વધવાં લાગ્યાં એટલે વહાણ જમીન પરથી ઊંચકાયું. પછી પાણી વધીને એટલાં ઊંચાં ચડયાં કે વહાણ તરવા લાગ્યું. પૃથ્વી પર પાણી એટલાં બધાં ઊંચાં ચડયાં કે આકાશ નીચેના બધા પર્વતો ઢંકાઈ ગયા. પર્વતોનાં શિખરો ઉપર લગભગ સાત મીટર પાણી ચડયાં. પૃથ્વી પરના સર્વ હાલતાં ચાલતાં પ્રાણીઓ એટલે સર્વ પક્ષીઓ, ઢોરઢાંક, સર્વ વન્યપશુઓ અને સઘળાં માણસો નાશ પામ્યાં. શ્વાસોશ્વાસ લેતા પૃથ્વી પરના સર્વ સજીવો મૃત્યુ પામ્યા. પ્રભુએ પૃથ્વી પરથી સર્વ માણસોનો, ઢોરઢાંકનો, વન્ય પશુઓનો, પેટે ચાલનારા જીવોનો અને પક્ષીઓનો નાશ કર્યો. માત્ર નૂહ અને તેની સાથે વહાણમાં જેઓ હતાં તેઓ જ બચી ગયાં. પૃથ્વી પર દોઢસો દિવસ સુધી જળપ્રલયનું જોર ચાલ્યું. ઈશ્વરે નૂહ તથા તેની સાથે વહાણમાંનાં સર્વ વન્યપશુઓ અને ઢોરઢાંકને સંભાર્યાં અને તેમણે પૃથ્વી પર પવન ચલાવ્યો એટલે પાણી ઓસરવા લાગ્યાં. ભૂગર્ભજળનાં ઝરણાં અને આકાશની બારીઓ બંધ થયાં અને આકાશમાંથી વરસાદ વરસતો અટકી ગયો. પૃથ્વી પરથી પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યાં. દોઢસો દિવસ પછી પાણી ઓસર્યાં અને સાતમા માસને સત્તરમે દિવસે વહાણ અરારાટની પર્વતમાળા પર આવીને થંભ્યું. હજી પણ પાણી ઓસરતાં જતાં હતાં અને દસમા માસને પ્રથમ દિવસે પર્વતોનાં શિખર દેખાયાં. ચાલીસ દિવસ પછી નૂહે પોતે બનાવેલી વહાણની બારી ઉઘાડીને એક કાગડાને બહાર મોકલ્યો. પણ પાણી સૂકાયાં ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો. *** પછી પૃથ્વી પરથી પાણી ઓસર્યાં છે કે નહિ તે જોવા નૂહે એક કબૂતરને મોકલ્યું. પણ આખી પૃથ્વી પર પાણી ફેલાયેલું હોવાથી કબૂતરને પગ મૂકવાની જગા મળી નહિ. તેથી તે નૂહ પાસે વહાણ તરફ પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને વહાણમાં લઈ લીધું. સાત દિવસ રાહ જોયા પછી નૂહે ફરીથી કબૂતરને બહાર મોકલ્યું. કબૂતર સાંજે પાછું આવ્યું ત્યારે તેની ચાંચમાં ઓલિવવૃક્ષનું તાજું પાંદડું હતું! તેથી નૂહે જાણ્યું કે પાણી ઓસરી ગયાં છે. બીજા સાત દિવસ રાહ જોયા પછી નૂહે ફરીથી કબૂતરને બહાર મોકલ્યું. પરંતુ આ વખતે તે તેની પાસે પાછું આવ્યું નહિ. નૂહના આયુષ્યના છસો એક વર્ષના પહેલા માસના પહેલે દિવસે પૃથ્વી પરથી પાણી સંપૂર્ણ રીતે સૂકાઈ ગયાં. નૂહે વહાણનું છાપરું ઉઘાડીને જોયું તો જમીન કોરી થઈ ગઈ હતી. બીજા માસના સત્તાવીસમા દિવસે પૃથ્વી પૂરેપૂરી સૂકાઈ ગઈ. ઈશ્વરે નૂહને કહ્યું, “તું, તારી પત્ની, તારા પુત્રો અને તેમની પત્નીઓ વહાણની બહાર આવો. તારી સાથે સર્વ સજીવો એટલે પક્ષીઓ, ઢોરઢાંક અને પેટે ચાલનારા જીવોને પણ બહાર લાવ, જેથી પૃથ્વીમાં તેમની વંશવૃદ્ધિ થાય અને આખી પૃથ્વી પર તેઓ ફેલાઈ જાય. તેથી નૂહ, તેની પત્ની, તેના પુત્રો અને તેમની પત્નીઓ વહાણમાંથી બહાર આવ્યાં. વળી, સર્વ સજીવ પ્રાણીઓ એટલે વન્યપશુઓ, ઢોરઢાંક, પક્ષીઓ અને પેટે ચાલનારા જીવો પણ પોતપોતાની જાતના જૂથમાં વહાણમાંથી બહાર આવ્યાં. પછી નૂહે પ્રભુ માટે એક યજ્ઞવેદી બાંધી. તેણે કેટલાંક શુદ્ધ પ્રાણીઓ અને શુદ્ધ પક્ષીઓ લઈને તેમનું દહનબલિ તરીકે વેદી પર અર્પણ ચડાવ્યું. પ્રભુ એ યજ્ઞની સુવાસથી પ્રસન્‍ન થયા અને પોતાના મનમાં બોલ્યા, “જો કે માણસના મનનો પ્રત્યેક વિચાર તેના બાળપણથી જ ભૂંડો છે તેમ છતાં માણસને લીધે હું ભૂમિને ફરી કદી શાપ આપીશ નહિ. આ વખતે જેમ મેં સર્વ સજીવોનો સંહાર કર્યો તેમ હવે પછી કદી કરીશ નહિ. પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી અને કાપણી, ઠંડી અને ગરમી, ઉનાળો અને શિયાળો તથા રાત અને દિવસ સદા થયા કરશે.” ઈશ્વરે નૂહ અને તેના પુત્રોને આશિષ આપતાં કહ્યું, “વંશવૃદ્ધિ કરો, સંખ્યામાં વધો અને આખી પૃથ્વીને તમારા વંશજોથી ભરપૂર કરો. પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓ, આકાશનાં બધાં પક્ષીઓ, જમીન પર પેટે ચાલનારાં પ્રાણીઓ અને દરિયાનાં માછલાં તમારાથી બીશે અને ગભરાશે; તેઓ તમારા અધિકાર નીચે છે. પહેલાં જેમ મેં તમને લીલાં શાકભાજી ખોરાક તરીકે આપ્યાં હતાં તેમ હવે પૃથ્વી પર હાલતાંચાલતાં બધાં પ્રાણી તમારો ખોરાક થશે. એટલું જ કે તમારે રક્તવાળું માંસ ખાવું નહિ, કારણ, રક્તમાં જીવ છે. હું જરૂર તમારા રક્તનો હિસાબ માગીશ: દરેક પ્રાણી પાસેથી હું તેનો હિસાબ માગીશ અને પ્રત્યેક વ્યક્તિ પાસેથી તેના સાથીમાનવના જીવનો હિસાબ માગીશ. મેં ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતને સર્જી હોઈ જો કોઈ અન્ય માણસનો જીવ લે તો તેનો જીવ પણ લેવાશે. હું પ્રત્યેક માણસ પાસેથી તેના સાથીમાનવના જીવનો બદલો માગીશ. “તો હવે તમે વંશવૃદ્ધિ કરો, સંખ્યામાં વધો અને આખી પૃથ્વીને તમારા વંશજોથી ભરપૂર કરો.” પછી ઈશ્વરે નૂહ અને તેના પુત્રોને કહ્યું, “આજે હું તમારી સાથે, તમારા વંશજો સાથે અને વહાણમાંથી બહાર આવેલા પૃથ્વી પરના સજીવો એટલે પક્ષીઓ, ઢોરઢાંક અને વન્યપશુઓ સાથે આ કરાર કરું છું. *** હું મારો કરાર સ્થાપિત કરું છું કે હવે પછી જળપ્રલય દ્વારા કદી પણ બધા સજીવોનો નાશ થશે નહિ અને ફરી કદી જળપ્રલયથી પૃથ્વીનો વિનાશ થશે નહિ.” પછી ઈશ્વરે કહ્યું, “તમારી સાથે તથા સર્વ સજીવ પ્રાણીઓ સાથે હું આ જે સાર્વકાલિક કરાર કરું છું તેનું આ ચિહ્ન છે: હું વાદળમાં મારું મેઘધનુષ્ય મૂકું છું. પૃથ્વી સાથે મેં કરેલા મારા કરારનું એ ચિહ્ન છે. *** જ્યારે હું પૃથ્વી પર વાદળાં લાવીશ ત્યારે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે, ત્યારે તમારી સાથે તથા સર્વ પ્રાણીઓ સાથે મેં કરેલો મારો કરાર હું સંભારીશ અને જળપ્રલયથી ફરી કદીપણ સર્વ સજીવોનો નાશ થશે નહિ. વાદળોમાં મેઘધનુષ્ય દેખાશે ત્યારે તે જોઈને મારી અને પૃથ્વીના સર્વ જાતનાં સજીવ પ્રાણીઓ વચ્ચેનો એ સાર્વકાલિક કરાર હું યાદ કરીશ.” ઈશ્વરે નૂહને કહ્યું, “પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીઓ સાથે કરેલા મારા કરારનું એ ચિહ્ન છે.” વહાણમાંથી બહાર આવેલા નૂહના પુત્રોનાં નામ શેમ, હામ અને યાફેથ હતાં. હામ કનાનનો પિતા હતો. નૂહના એ ત્રણ પુત્રો હતા. તેમનાથી જ આખી પૃથ્વી પરની વસ્તી થઈ. સૌ પ્રથમ ખેતી કરનાર નૂહ હતો, તેણે દ્રાક્ષવાડી રોપી. એકવાર તેણે દ્રાક્ષાસવ પીધો અને નશામાં આવી જઈને પોતાના તંબુમાં નવસ્ત્રો થઈ ન પડયો હતો. કનાનના પિતા હામે પોતાના પિતા નૂહને નગ્નાવસ્થામાં જોયો અને પછી બહાર જઈને તેણે પોતાના બે ભાઈઓને એ સંબંધી જણાવ્યું. પણ શેમ અને યાફેથે ચાદર લીધી અને તેને પોતાના ખભા પર નાખીને પાછલે પગે તંબુમાં ગયા અને પોતાના પિતાની નગ્નતા ઢાંકી. તેમણે પોતાનાં મોં બીજી બાજુ ફેરવેલાં રાખ્યાં હતાં અને પોતાના પિતાની નગ્નતા જોઈ નહિ. જયારે નૂહને નશો ઊતર્યો ત્યારે પોતાના સૌથી નાના પુત્રે કરેલા દુષ્કૃત્યની તેને જાણ થઈ. ત્યારે તેણે કહ્યું. “કનાન શાપિત હો; તે પોતાના ભાઈઓનો ગુલામ થશે.” વળી, તેણે કહ્યું, “પ્રભુ, શેમના ઈશ્વર, સ્તુત્ય હો; કનાન શેમનો ગુલામ બનો. ઈશ્વર યાફેથની વૃદ્ધિ કરો; તેના વંશજો શેમના લોકો સાથે તંબુમાં રહો. કનાન યાફેથનો ગુલામ બનો.” જળપ્રલય પછી નૂહ ત્રણસો પચાસ વર્ષ જીવ્યો અને નવસો પચાસ વર્ષની ઉંમરે તે મૃત્યુ પામ્યો. નૂહના પુત્રો શેમ, હામ અને યાફેથના વંશજો આ છે. જળપ્રલય પછી તેમને એ પુત્રો થયા. યાફેથના પુત્રો: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ. ગોમેરના પુત્રો: આશ્કનાજ, રીફાથ અને તોગાર્મા. યાવાનના પુત્રો: એલિશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ. તેઓ દરિયાકાંઠે વસેલા અને સમુદ્ર મધ્યેના ટાપુઓ પર વસેલા લોકોના પૂર્વજો છે. યાફેથના વંશજો પોતપોતાનાં ગોત્ર પ્રમાણે અને પોતપોતાની જાતિ પ્રમાણે જુદા જુદા દેશોમાં વસ્યા અને દરેક જૂથની પોતાની આગવી ભાષા હતી. હામના પુત્રો: કુશ, મિસરાઈમ, પુટ અને કનાન. કુશના પુત્રો: સેબા, હવીલા, સાબ્ના, રાઅમા અને સાબ્તેકા. રાઅમાના પુત્રો: શબા અને દદાન. કુશના એક પુત્રનું નામ નિમ્રોદ હતું. આ નિમ્રોદ દુનિયાનો સૌપ્રથમ મહાન યોદ્ધો હતો. વળી, તે પ્રભુ સમક્ષ મહાન શિકારી હતો; તેથી લોકો કહે છે: “પ્રભુ સમક્ષ નિમ્રોદ જેવો મહાન શિકારી કોણ?” શિનઆર દેશનાં બેબિલોન, એરેખ, આક્કાદ અને કાલ્નેહ નિમ્રોદના સામ્રાજ્યનાં શરૂઆતનાં કેન્દ્ર હતાં. નિમ્રોદ ત્યાંથી નીકળીને આશ્શૂર ગયો. ત્યાં તેણે નિનવે, રેહોબોથ-ઈર, કાલા તેમ જ નિનવે અને કાલાની વચ્ચે આવેલ મહાનગરી રેસેન વિગેરે શહેરો બાંધ્યાં. *** લુદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ, પાથરૂસીમ, કાસ્લુહીમ (તેના વંશજો પલિસ્તીઓ છે) તથા કાફતોરીમ લોકોનો પિતા મિસરાઈમ હતો. *** કનાનનો પ્રથમ પુત્ર સિદોન હતો; હેથ તેનો બીજો પુત્ર હતો. કનાનના અન્ય પુત્રો: યબૂસી, અમોરી, ગીર્ગાશી, હિવ્વી, આર્કી, સીની, આરવાદી, સમારી અને હમાથી હતા. તેમનાથી કનાનની વિવિધ જાતિઓ વિસ્તાર પામી. *** *** કનાન દેશની સીમાઓ સિદોનથી ગેરાર તરફ ગાઝા સુધી અને સદોમ, ગમોરા, આદમા અને સબોઈમના પ્રાંતો તરફ લાશા સુધી વિસ્તરેલી હતી. આ હામના વંશજો હતા. તેઓ પોતપોતાના ગોત્ર પ્રમાણે અને પોતપોતાની જાતિ પ્રમાણે જુદા જુદા દેશોમાં વસતા હતા અને દરેક જૂથની પોતાની આગવી ભાષા હતી. શેમ હેબેરના સર્વ વંશજોનો પૂર્વજ હતો. વળી, તે યાફેથનો મોટો ભાઈ હતો. તેને પણ સંતાનો હતાં. શેમના પુત્રો: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ અને અરામ. અરામના પુત્રો: ઉઝ, હૂલ, ગેથેર અને માશ. આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા હેબેરનો પિતા હતો. હેબેરને બે પુત્રો હતા. એકનું નામ પેલેગ [વિભાજન] હતું. કારણ, તેના સમયમાં પૃથ્વીનું વિભાજન થયું. પેલેગના ભાઈનું નામ યોકટાન હતું. યોકટાન આ સર્વનો પિતા હતો: આલમોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરા, હદોરામ, ઉઝાલ, દિકલા, ઓબાલ, અબીમાએલ, શબા, ઓફીર, હવીલા અને યોઆબ. આ બધા યોકટાનના પુત્રો હતા. *** *** *** મેશાથી પૂર્વના પહાડી પ્રદેશમાં આવેલ સફાર સુધી તેમના વસવાટનો દેશ હતો. આ સર્વ શેમના વંશજો હતા. તેઓ પોતપોતાના ગોત્ર પ્રમાણે, પોતપોતાની જાતિ પ્રમાણે અને પોતપોતાની આગવી ભાષા પ્રમાણે જુદા જુદા દેશમાં વસતા હતા. આ સર્વ પોતપોતાની જાતિ પ્રમાણે નૂહના વંશજો હતા અને જળપ્રલય પછી તેમનામાંથી જ પૃથ્વી પરની વિવિધ પ્રજાઓ અલગ પડી. શરૂઆતમાં આખી પૃથ્વીના બધા લોકોની એક જ ભાષા હતી અને બોલીનું ઉચ્ચારણ પણ એકસરખું હતું. તેઓ પૂર્વ તરફ આગળ વધતા વધતા શિનઆરના સપાટ પ્રદેશમાં આવીને વસ્યા. તેમણે એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ઈંટો પાડીએ અને તેમને પકવીએ.” તેમની પાસે બાંધકામ માટે પથ્થરને બદલે ઈંટો અને માટીના ગારાને બદલે ડામર હતાં. પછી તેમણે કહ્યું, “ચાલો, આપણે પોતાને માટે એક શહેર બાંધીએ અને જેની ટોચ આકાશ સુધી પહોંચે એવો બુરજ બાંધીએ, જેથી આપણી નામના થાય અને આપણે પૃથ્વી પર વિખેરાઈ ન જઈએ.” માણસોના પુત્રો આ જે શહેર અને બુરજ બાંધતા હતા તે જોવા પ્રભુ નીચે ઊતરી આવ્યા. તેમણે કહ્યું, “આ બધા લોકો એક છે અને તેઓ એક જ ભાષા બોલે છે. હવે તેમણે જે કાર્ય કરવાનું આયોજન કર્યું છે તેમાં રુકાવટ આવશે નહિ. ચાલો, આપણે નીચે જઈને તેમની ભાષા ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા સમજે નહિ.” એમ પ્રભુએ તેમને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા. તેમણે શહેર બાંધવાનું પડતું મૂકાયું. તેથી એ શહેરનું નામ બેબિલોન [ગૂંચવણ] પડયું; કારણ, ત્યાં આગળ પ્રભુએ સમસ્ત પૃથ્વીની ભાષા ગૂંચવી નાખી અને અહીંથી પ્રભુએ તેમને સૌને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા. જળપ્રલય થયા પછી બીજે વર્ષે જ્યારે શેમ 100 વર્ષનો હતો ત્યારે તેને આર્પાકશાદ થયો. આર્પાકશાદના જન્મ પછી શેમ બીજાં 500 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં. આર્પાકશાદ 35 વર્ષનો હતો ત્યારે તેને શેલા થયો. શેલાના જન્મ પછી આર્પાકશાદ બીજાં 403 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં. શેલા 30 વર્ષનો હતો ત્યારે તેને હેબેર થયો. હેબેરના જન્મ પછી શેલા બીજાં 403 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં. હેબેર 34 વર્ષનો હતો ત્યારે તેને પેલેગ થયો. પેલેગના જન્મ પછી હેબેર બીજાં 430 વર્ષ જીવ્યો, અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં. પેલેગ 30 વર્ષનો હતો ત્યારે તેને રેઉ થયો. રેઉનો જન્મ થયા પછી પેલેગ બીજાં 209 વર્ષ જીવ્યો, અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં. રેઉ 32 વર્ષનો હતો ત્યારે તેને સરૂગ થયો. સરૂગનો જન્મ થયા પછી રેઉ બીજાં 200 વર્ષ જીવ્યો, અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં. સરૂગ 30 વર્ષનો હતો ત્યારે તેને નાહોર થયો. નાહોરનો જન્મ થયા પછી સરૂગ બીજાં 207 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં. નાહોર 29 વર્ષનો હતો ત્યારે તેને તેરા થયો. તેરાના જન્મ પછી નાહોર 119 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં. તેરા 70 વર્ષનો થયો ત્યારે તેને અબ્રામ, નાહોર અને હારાન થયા. તેરાના વંશજો આ પ્રમાણે છે: અબ્રામ, નાહોર અને હારાન. હારાનનો પુત્ર લોત હતો. હારાન પોતાના વતન ખાલદીઓના નગર ઉરમાં મૃત્યુ પામ્યો. તેના મૃત્યુ વખતે તેનો પિતા તેરા જીવતો હતો. અબ્રામે સારાય સાથે તથા નાહોરે મિલ્કા સાથે લગ્ન કર્યાં. મિલ્કા હારાનની પુત્રી હતી. હારાન યિસ્કાનો પણ પિતા હતો. સારાય નિ:સંતાન હતી; કારણ, તે વંધ્યા હતી. તેરા પોતાના પુત્ર અબ્રામને, પોતાના પુત્ર હારાનના પુત્ર લોતને, તથા પોતાની પુત્રવધૂ એટલે અબ્રામની પત્ની સારાયને લઈને ખાલદીઓના નગર ઉરમાંથી કનાન દેશમાં જવા ચાલી નીકળ્યો. તેઓ હારાનમાં આવી ઠરીઠામ થયાં. તેરા 205 વર્ષની ઉંમરે હારાનમાં મૃત્યુ પામ્યો. પ્રભુએ અબ્રામને કહ્યું, “તારો દેશ, તારાં સ્વજનો અને તારા પિતાનું ઘર તજીને હું તને બતાવું તે દેશમાં જા. હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશિષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ; જેથી તું આશિષરૂપ થશે. તને આશિષ આપનારાઓને હું આશિષ આપીશ; જ્યારે તને શાપ આપનારાઓને હું શાપ આપીશ. તારા દ્વારા હું પૃથ્વીની સર્વ પ્રજાઓને આશિષ આપીશ.” આમ, પ્રભુની આજ્ઞા પ્રમાણે અબ્રામ ચાલી નીકળ્યો અને લોત તેની સાથે ગયો. અબ્રામ હારાનથી નીકળ્યો ત્યારે તે પંચોતેર વર્ષનો હતો. અબ્રામ પોતાની પત્ની સારાય, ભત્રીજો લોત, પોતાની સર્વ સંપત્તિ અને હારાનમાં મેળવેલા સર્વ નોકરોને લઈને કનાન દેશ તરફ જવા નીકળ્યો. તેઓ કનાન દેશમાં આવી પહોંચ્યા. તે દેશમાં મુસાફરી કરતાં કરતાં અબ્રામ શખેમ નગરની સીમમાં આવેલા મોરેહના પવિત્ર વૃક્ષ સુધી ગયો. તે સમયે તે દેશમાં કનાનીઓ વસતા હતા. પ્રભુએ અબ્રામને દર્શન દઈને કહ્યું, “હું તારા વંશજોને આ જ દેશ આપવાનો છું.” તેને દર્શન આપનાર પ્રભુને માટે તેણે ત્યાં એક વેદી બાંધી. ત્યાંથી તે દક્ષિણ તરફ બેથેલ નગરની પૂર્વમાં આવેલ પહાડીપ્રદેશ તરફ ગયો. ત્યાં બેથેલ અને આયની વચમાં તેણે તંબુ માર્યો. ત્યાંથી પશ્ર્વિમે બેથેલ અને પૂર્વમાં આય હતાં. ત્યાં અબ્રામે એક વેદી બાંધી અને યાહવેને નામે ભજન કર્યું. પછી તે ત્યાંથી નીકળીને દેશના દક્ષિણ ભાગ નેગેબ તરફ આગળ વધ્યો. તે દેશમાં દુકાળ પડયો. દુકાળ તીવ્ર હોવાથી અબ્રામ થોડા સમય માટે ઇજિપ્તમાં ગયો. ઇજિપ્તની સરહદ વટાવતાં તેણે પોતાની પત્ની સારાયને કહ્યું, “મને ખબર છે કે તું ઘણી સુંદર સ્ત્રી છે. ઇજિપ્તના રહેવાસીઓ તને જોઈને કહેશે, ‘આ તેની પત્ની છે’; તેથી તેઓ મને મારી નાખશે પણ તને જીવતી રાખશે. માટે તું એમ કહેજે કે તું મારી બહેન છે, જેથી તારે લીધે તેઓ મારી સાથે સારી રીતે વર્તે અને મારો જીવ બચી જાય.” અબ્રામ ઇજિપ્તમાં પ્રવેશ્યો ત્યારે ઇજિપ્તના રહેવાસીઓએ જોયું કે અબ્રામની પત્ની ઘણી સુંદર છે. ફેરોના કેટલાક અધિકારીઓએ સારાયને જોઈને ફેરોની આગળ સારાયની સુંદરતાની પ્રશંસા કરી. તેથી સારાયને ફેરોના મહેલમાં લઈ જવામાં આવી. સારાયને લીધે ફેરોએ અબ્રામ પ્રત્યે સારો વર્તાવ કર્યો અને અબ્રામને ઘેટાં, ઢોરઢાંક, ગધેડાં, દાસદાસીઓ અને ઊંટો આપ્યાં. ફેરોએ સારાયને પોતાને ત્યાં રાખી તેથી પ્રભુએ ફેરો અને તેના પરિવાર પર ભયંકર રોગ મોકલ્યો. તેથી ફેરોએ અબ્રામને બોલાવીને કહ્યું, “તું મારી સાથે એવી રીતે કેમ વર્ત્યો? તે તારી પત્ની છે એવું તેં કેમ કહ્યું નહિ? તે તારી બહેન છે એવું તેં શા માટે કહ્યું? એથી તો મેં તેને મારી પત્ની તરીકે રાખી! તો હવે આ રહી તારી પત્ની; જા, તેને લઈને જતો રહે.” ફેરોએ પોતાના માણસોને અબ્રામ વિષે આજ્ઞા આપી એટલે તેઓ અબ્રામને તેની પત્ની અને તેની સઘળી સંપત્તિ સાથે દેશ બહાર મૂકી આવ્યા. અબ્રામ પોતાની પત્ની અને સઘળી સંપત્તિ સાથે ઇજિપ્તની ઉત્તરે કનાન દેશના દક્ષિણ ભાગ નેગેબ તરફ ગયો અને લોત પણ તેની સાથે હતો. હવે અબ્રામ તો ઘણો ધનવાન બન્યો હતો. તેની પાસે ઘણું પશુધન તેમ જ પુષ્કળ સોનુરૂપું હતાં. તે નેગેબથી નીકળીને જુદે જુદે સ્થળે મુકામ કરતો કરતો પાછો બેથેલ તરફ ગયો. બેથેલ અને આયની વચ્ચે જ્યાં તેણે તંબુ માર્યો હતો અને વેદી બાંધી હતી તે સ્થળે તે પહોંચ્યો. ત્યાં તેણે યાહવેને નામે ભજન કર્યું. અબ્રામની સાથે જનાર લોત પાસે પણ ઘેટાંબકરાં, ઢોરઢાંક અને તંબુઓ હતાં. તેમની પાસે ઘણાં ઢોરઢાંક હોવાથી તે પ્રદેશમાં તેઓ બન્‍ને સાથે રહી શકે તે માટે ચરાણની પૂરતી જમીન નહોતી. તેથી અબ્રામના ગોવાળિયાઓ અને લોતના ગોવાળિયાઓ વચ્ચે ઝઘડા શરૂ થયા. તે સમયે કનાનમાં કનાની અને પરિઝી લોકો વસતા હતા. તેથી અબ્રામે લોતને કહ્યું, “તારી અને મારી વચ્ચે તેમ જ તારા અને મારા ગોવાળિયાઓ વચ્ચે ઝઘડા થવા ન જોઈએ. શું આપણે સગા નથી? તારી આગળ આખો દેશ છે. માટે તું હવે મારાથી જુદો થા. તું દેશમાં ડાબી તરફ જશે તો હું જમણી તરફ જઈશ અને તું જમણી તરફ જશે તો હું ડાબી તરફ જઈશ.” લોતે પોતાની નજર ઊંચી કરીને જોયું તો છેક સોઆર સુધી યર્દન નદીનો આખો ખીણપ્રદેશ પાણીથી ભરપૂર હતો. પ્રભુએ સદોમ અને ગમોરાનો નાશ કર્યો તે પહેલાં એ આખો પ્રદેશ પ્રભુના બાગ જેવો અને ઇજિપ્ત દેશ જેવો હતો. તેથી લોતે પોતાને માટે યર્દનનો આખો ખીણપ્રદેશ પસંદ કર્યો અને પૂર્વ તરફ ચાલી નીકળ્યો. એ રીતે તેઓ બન્‍ને જુદા થયા અબ્રામ કનાન દેશમાં જ રહ્યો, પરંતુ લોત નદીના ખીણપ્રદેશનાં શહેરોમાં જઈ વસ્યો. લોત મુકામ કરતો કરતો છેક સદોમ નજીક જઈ વસ્યો. સદોમના લોકો અતિ દુષ્ટ અને પાપાચારી હતા. લોત અબ્રામથી છૂટો પડયો તે પછી પ્રભુએ અબ્રામને કહ્યું, “જ્યાં તું છે ત્યાંથી તારી નજર ઊંચી કરીને ઉત્તર તથા દક્ષિણ તરફ અને પૂર્વ તથા પશ્ર્વિમ તરફ જો. તું જુએ છે તે આખો પ્રદેશ હું તને તથા તારા વંશજોને કાયમને માટે આપીશ. હું પૃથ્વીની રજકણો જેટલાં તારા વંશજો વધારીશ. જો કોઈ પૃથ્વીની રજકણો ગણી શકે તો તારા વંશજોની પણ ગણતરી કરી શકે! હવે જા, દેશની લંબાઈ અને પહોળાઈ પ્રમાણે તેના ચારે છેડા સુધી ફરી વળ; કારણ, એ આખો દેશ હું તને આપીશ.” તેથી અબ્રામે તંબુ ઉપાડયો અને હેબ્રોનમાં આવેલાં મામરેનાં પવિત્ર એલોન વૃક્ષો નજીક જઈ વસ્યો. ત્યાં તેણે પ્રભુના ભજન માટે વેદી બાંધી. એવામાં શિનઆરનો રાજા આમ્રાફેલ, એલ્લાસારનો રાજા આર્યોખ, એલામનો રાજા કદોરલાઓમેર અને ગોઈમનો રાજા તિદાલ એ ચાર રાજાઓ સદોમનો રાજા બેરા, ગમોરાનો રાજા બિર્શા, આદમાનો રાજા શિનાબ, સબોઇમનો રાજા શેમેબર અને બેલા એટલે સોઆરનો રાજા એ પાંચ રાજાઓ સામે યુદ્ધ કરવા ગયા. આ પાંચ રાજાઓ સંગઠન કરી, જ્યાં આજે મૃત સરોવર છે ત્યાં એટલે સિદ્દીમના ખીણપ્રદેશમાં એકઠા થયા. તેઓ બાર વર્ષ કદોરલાઓમેરની તાબેદારી નીચે હતા, પણ તેરમે વર્ષે તેમણે તેની વિરુદ્ધ બળવો કર્યો. ચૌદમે વર્ષે કદોરલાઓમેર તથા તેના મિત્ર રાજાઓએ પોતાનાં લશ્કરો લઈને આશ્તરોથ- કારનાઇમના પ્રદેશના રફીઓને, હામના પ્રદેશના ઝુઝીઓને, શાવે-કિર્યાથાઈમ પ્રદેશના એમીઓને અને સેઇરના પહાડી પ્રદેશના હોરીઓને રણપ્રદેશ પાસેના છેક એલપારાન સુધી તેમનો પીછો કરીને તેમને હરાવ્યા. પછી તેઓ પાછા ફરીને એન-મિશ્પાટ એટલે કાદેશ આવ્યા અને તેમણે અમાલેકીઓના આખા દેશને તથા હાસસોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ હરાવ્યા. ત્યારે સદોમનો રાજા, ગમોરાનો રાજા, આદમાનો રાજા, સબોઇમનો રાજા અને બેલા એટલે સોઆરનો રાજા એ પાંચ રાજાઓએ એકઠા થઈ સિદ્દીમના ખીણપ્રદેશમાં એલામનો રાજા કદોરલાઓમેર, ગોઇમનો રાજા તિદાલ, શિનઆરનો રાજા આમ્રાફેલ અને એલ્લાસારનો રાજા આર્યોખ એ ચાર રાજાઓની સામે યુદ્ધ કર્યું. *** સિદ્દીમના ખીણપ્રદેશમાં ડામરના ઘણા ખાડા હતા. સદોમ અને ગમોરાના રાજાઓ નાસી છૂટતી વખતે તે ખાડાઓમાં પડયા જ્યારે બાકીના પર્વતોમાં નાસી ગયા. પેલા ચાર રાજાઓ સદોમ અને ગમોરાની બધી સંપત્તિ તથા તેમના અન્‍નભંડારો લૂંટી લઈને ચાલ્યા ગયા. વળી, તેઓ સદોમમાં રહેતા અબ્રામના ભત્રીજા લોતને તેની સઘળી સંપત્તિ સહિત પકડીને લઈ ગયા. ત્યાર પછી ત્યાંથી નાસી છૂટેલા એક માણસે આવીને હિબ્રૂ અબ્રામને ખબર આપી. અબ્રામ અમોરી મામરેનાં પવિત્ર એલોન વૃક્ષ પાસે રહેતો હતો. મામરે તો એશ્કોલ અને આનેરનો ભાઈ હતો. એ ભાઈઓ અબ્રામના સંધિમિત્રો બન્યા હતા. પોતાના ભત્રીજા લોતને પકડી ગયા છે એવી ખબર મળતાં અબ્રામે પોતાના કુટુંબમાં જન્મેલા ત્રણસો અઢાર લડાયક ચાકરોને લીધા અને છેક દાન સુધી તેણે દુશ્મનોનો પીછો કર્યો. તેણે પોતાના ચાકરોની બે ટોળીઓ બનાવીને દુશ્મનો પર રાત્રે હુમલો કરીને તેમને હરાવ્યા અને દમાસ્ક્સની ઉત્તરે આવેલા હોબા સુધી તેમનો પીછો કર્યો. તેણે બધી સંપત્તિ પાછી મેળવી અને પોતાના સગા લોતને, તેની સંપત્તિને, સ્ત્રીઓને તેમ જ બાકીના લોકોને તે પાછાં લાવ્યો. કદોરલાઓમેર અને તેની સાથેના રાજાઓને હરાવીને અબ્રામ પાછો આવતો હતો ત્યારે સદોમનો રાજા તેને મળવા માટે શાવેના ખીણપ્રદેશમાં ગયો. (એને રાજાનો ખીણપ્રદેશ પણ કહે છે.) તે વખતે શાલેમનો રાજા મેલ્ખીસેદેક રોટલી અને દ્રાક્ષાસવ લઈને આવ્યો. તે સર્વોચ્ચ ઈશ્વરનો યજ્ઞકાર હતો. તેણે અબ્રામને આશિષ આપતાં કહ્યું: “આકાશ તથા પૃથ્વીના માલિક સર્વોચ્ચ ઈશ્વર અબ્રામને આશિષ આપો. તારા દુશ્મનોને તારા હાથમાં સોંપી દેનાર સર્વોચ્ચ ઈશ્વરને ધન્ય હો!” ત્યારે અબ્રામે બધી વસ્તુઓમાંથી તેને દશમો ભાગ આપ્યો. સદોમના રાજાએ અબ્રામને કહ્યું, “તમે મારા માણસો સોંપી દો અને બધી સંપત્તિ તમે રાખી લો.” પણ અબ્રામે તેને જવાબ આપ્યો, “મેં આકાશ તથા પૃથ્વીના માલિક સર્વોચ્ચ ઈશ્વરની સમક્ષ ગંભીરતાપૂર્વક સમ ખાધા છે કે, હું તમારી એકપણ વસ્તુ લઈશ નહિ; એક દોરી કે જોડાની વાધરી પણ નહિ. કદાચ તમે એમ કહો કે, ‘મેં અબ્રામને સંપત્તિવાન બનાવ્યો છે;’ આ જુવાનોએ ખાધેલો ખોરાક અને મારી સાથે આવેલા માણસોના હિસ્સા વિના હું બીજું કંઈ લેવાનો નથી. આનેર, એશ્કોલ અને મામરે પોતપોતાનો હિસ્સો ભલે લે. એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, “અબ્રામ, ગભરાઈશ નહિ, હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું.” પરંતુ અબ્રામે કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, તમે મને શું આપશો? કારણ, હું તો નિ:સંતાન ચાલ્યો જાઉં છું! પછી તમારો પુરસ્કાર શા કામનો? આ દમાસ્ક્સ શહેરનો એલિએઝેર મારો વારસદાર થવાનો છે. તમે મને સંતાન આપ્યું નથી, એટલે મારો એક નોકર મારી મિલક્તનો વારસ થશે.” ત્યારે અબ્રામને ફરીથી પ્રભુની વાણી સંભળાઈ, “એ નોકર તારી મિલક્તનો વારસદાર થશે નહિ, પણ તારા પેટનો પુત્ર જ તારો વારસ થશે.” પ્રભુએ બહાર લઈ જઈને તેને કહ્યું, “આકાશ તરફ જો અને તારાથી ગણી શકાય તો તારાઓની ગણતરી કર; એટલાં તારાં સંતાન થશે.” અબ્રામે એ સંબંધી પ્રભુ પર વિશ્વાસ કર્યો અને તેથી પ્રભુએ તેના પર પ્રસન્‍ન થઈને તેનો સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો. પછી પ્રભુએ તેને કહ્યું, “આ દેશ તને વતન તરીકે આપવા માટે તને ખાલદીઓના ઉર નગરમાંથી કાઢી લાવનાર હું પ્રભુ યાહવે છું.” પણ અબ્રામે કહ્યું, “હે સર્વસત્તાધીશ પ્રભુ, હું આ દેશનો વારસો પામીશ એ હું કેવી રીતે જાણી શકું?” પ્રભુએ તેને કહ્યું, “તું મારી પાસે ત્રણ વર્ષની એક વાછરડી, ત્રણ વર્ષની એક બકરી, ત્રણ વર્ષનો એક ઘેટો, એક હોલો અને એક કબૂતરનું બચ્ચું લાવ.” અબ્રામ એ બધાં પ્રભુની પાસે લઈ આવ્યો. તેણે તેમને વચ્ચેથી ચીરીને તેમના બબ્બે ટુકડા કર્યા અને ટુકડાઓને સામસામે ગોઠવ્યા; પણ તેણે પક્ષીઓને ચીર્યાં નહિ. પછી તેમના મૃતદેહ પર ગીધ આવવા લાગ્યાં ત્યારે અબ્રામે તેમને ઉડાડી મૂક્યાં. સૂર્ય આથમતો હતો ત્યારે અબ્રામ ભરઊંઘમાં પડયો અને તેના પર ભારે આતંક અને ઘોર અંધકાર આવી પડયા. પછી પ્રભુએ અબ્રામને કહ્યું, “તું ખાતરીપૂર્વક જાણી લે કે તારા વંશજો પરદેશમાં ભટકશે, ચારસો વર્ષ સુધી તેઓ ગુલામી ભોગવશે અને તેમના પર અત્યાચારો થશે; પણ જે પ્રજા તેમને ગુલામ બનાવશે તે પ્રજાને હું સજા કરીશ. પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી બહાર નીકળશે. પણ તું તો પાકટ વય સુધી જીવીશ અને શાંતિપૂર્વક તારું મૃત્યુ થશે અને તારું દફન પણ થશે. ચોથી પેઢીમાં તારા વંશજો અહીં પાછા આવશે; કારણ, અમોરીઓના પાપનો ઘડો હજી ભરાયો નથી.” સૂર્ય આથમી ગયો અને અંધારું થયું ત્યારે એક ધૂમાતી સગડી અને સળગતી મશાલ પેલા પ્રાણીઓના ટુકડાઓ વચ્ચે થઈને પસાર થઈ. એ જ દિવસે પ્રભુએ અબ્રામ સાથે કરાર કર્યો: “હું ઇજિપ્તની નાઇલ નદીથી મોટી નદી યુફ્રેટિસ સુધીનો આખો પ્રદેશ એટલે, કેનીઓ, કનીઝીઓ, કાદમોનીઓ, હિત્તીઓ, પરિઝીઓ, રફીઓ, અમોરીઓ, કનાનીઓ, ગિર્ગાશીઓ તથા યબૂસીઓનો આખો પ્રદેશ તારા વંશજોને આપું છું.” અબ્રામની પત્ની સારાયને સંતાન થતાં નહોતાં. તેને હાગાર નામે એક ઇજિપ્તી દાસી હતી. સારાયે અબ્રામને કહ્યું, “પ્રભુએ મને નિ:સંતાન રાખી છે એટલે તમે મારી દાસી સાથે સમાગમ કરો. કદાચ, હું તેના દ્વારા બાળકો પામું.” અબ્રામે સારાયની વાત માન્ય રાખી એટલે અબ્રામની પત્ની સારાયે પોતાની ઇજિપ્તી દાસી હાગારને અબ્રામની ઉપપત્ની થવા સોંપી. તે સમયે અબ્રામને કનાન દેશમાં વસવાટ કર્યાને દશ વર્ષ થયાં હતાં. અબ્રામે હાગાર સાથે સમાગમ કર્યો અને તે ગર્ભવતી થઈ. પોતે ગર્ભવતી થઈ છે તેવી ખબર પડતાં હાગાર પોતાની શેઠાણીનો તિરસ્કાર કરવા લાગી. સારાયે અબ્રામને કહ્યું, “મને થયેલો અન્યાય તમારે શિર છે. મેં જ મારી દાસીને તમારી સોડમાં સોંપી હતી, પણ પોતે ગર્ભવતી થઈ છે એવી તેને ખબર પડતાં તે મારો તિરસ્કાર કરવા લાગી છે. પ્રભુ આપણા બે વચ્ચે ન્યાય કરો.” અબ્રામે સારાયને કહ્યું, “તે તારી દાસી છે અને તારા નિયંત્રણ નીચે છે. તને યોગ્ય લાગે તેમ કર.” પછી સારાય હાગારને દુ:ખ દેવા લાગી એટલે હાગાર તેની પાસેથી નાસી છૂટી. શૂર જવાને રસ્તે રણપ્રદેશમાં એક ઝરણા પાસે પ્રભુના દૂતે તેને જોઈ. દૂતે હાગારને કહ્યું, “સારાયની દાસી હાગાર, તું ક્યાંથી આવી અને કયાં જાય છે?” હાગારે કહ્યું, “હું મારી શેઠાણી સારાય પાસેથી નાસી જાઉં છું.” પ્રભુના દૂતે તેને કહ્યું, “તું તારી શેઠાણી પાસે પાછી જા, ને તેને આધીન રહે.” પછી દૂતે તેને કહ્યું, “હું તારો વંશ ઘણો વધારીશ અને તેની ગણતરી થઈ શકશે નહિ.” તેણે કહ્યું, “તું ગર્ભવતી છે, ને તને પુત્ર જનમશે. તું તેનું નામ ઇશ્માએલ [ઈશ્વર સાંભળે છે] પાડજે. કારણ, પ્રભુએ તારા દુ:ખનો પોકાર સાંભળ્યો છે. તે માણસો મધ્યે જંગલી ગધેડા જેવો થશે. તે બધા માણસોની વિરુદ્ધ પડશે અને બધા માણસો તેની વિરુદ્ધ પડશે. તે પોતાના બધાં કુટુંબીજનોની સામે પડીને અલગ વસવાટ કરશે.” હાગારે પોતાની સાથે વાત કરનાર પ્રભુનું નામ ‘એલ-રોઈ’ [જોનાર ઈશ્વર] પાડયું: કારણ, તેણે કહ્યું, “મને જોનાર ઈશ્વરનાં મને દર્શન થયાં છે! એ માટે તે કૂવાનું નામ ‘બેર-લાહાય રોઈ [જીવંત દષ્ટાનો કૂવો] પડયું. આજે પણ તે કાદેશ અને બેરેદ વચ્ચે આવેલો છે. અબ્રામને હાગારના પેટે પુત્ર જન્મ્યો. અબ્રામે હાગારને પેટે જન્મેલા પોતાના પુત્રનું નામ ઇશ્માએલ પાડયું. હાગારે ઇશ્માએલને જન્મ આપ્યો ત્યારે અબ્રામ છયાસી વર્ષનો હતો. અબ્રામ નવ્વાણુ વર્ષનો થયો ત્યારે પ્રભુએ તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસત્તાધીશ ઈશ્વર છું; મારી આધીનતામાં તારું જીવન ગાળ અને માત્ર જે યથાયોગ્ય છે તે જ કર. હું મારી અને તારી વચ્ચે મારો કરાર સ્થાપીશ, ને તારા વંશજોની સંખ્યા ઘણી વધારીશ.” અબ્રામે ભૂમિ પર માથું ટેકવીને પ્રભુને પ્રણામ કર્યા. ઈશ્વરે તેને કહ્યું, “હું તારી સાથે આ કરાર કરું છું: તું ઘણી પ્રજાઓનો પૂર્વજ થશે. હવેથી તારું નામ અબ્રામ [અર્થાત્ ઉન્‍નતિ પામેલ પિતા] નહિ, પણ અબ્રાહામ [ઘણાનો પિતા] કહેવાશે. કારણ, મેં તને ઘણી પ્રજાઓનો પિતા બનાવ્યો છે. *** હું તારા વંશજોની સંખ્યા ઘણી વધારીશ. હું તારામાંથી પ્રજાઓનું નિર્માણ કરીશ અને તારા વંશમાંથી રાજાઓ ઊભા થશે. તારો તેમ જ તારા બધા વંશજોનો ઈશ્વર થવાને હું મારી અને તારી સાથે અને પેઢી દર પેઢીના તારા વંશજો સાથે સાર્વકાલિક કરાર કરીશ. જે દેશમાં તું પરદેશી તરીકે વસે છે, તે આખો કનાન દેશ હું તને અને તારા વંશજોને કાયમને માટે વતન તરીકે આપીશ અને હું તેમનો ઈશ્વર થઈશ.” પછી તેણે અબ્રાહામને કહ્યું, “તું અને તારા વંશજો પેઢી દર પેઢી મારો કરાર પાળો. તારી સાથે અને તારા વંશજો સાથેનો મારો જે કરાર તમારે પાળવાનો છે તે એ છે કે તમારે તમારામાંના પ્રત્યેક પુરુષની સુન્‍નત કરાવવી. એટલે, તમારે તમારી જનનેદ્રિંયની ચામડીની સુન્‍નત કરાવવી. એ મારી અને તારી વચ્ચેના કરારની નિશાની થશે. તમારે તમારી બધી પેઢીઓમાં આઠ દિવસની ઉંમરના પ્રત્યેક છોકરાની સુન્‍નત કરાવવી; પછી તે તમારા ઘરમાં જન્મ્યો હોય કે કોઈ પરદેશી પાસેથી પૈસા આપીને ખરીદેલો હોય. તમારે તમારા ઘરમાં જન્મેલા ગુલામની અથવા પૈસાથી ખરીદેલા ગુલામની પણ સુન્‍નત કરાવવી. તમારા શરીરમાંની એ નિશાની તમારી સાથેનો મારો સાર્વકાલિક કરાર સૂચવશે. તમારામાંથી જે પુરુષે સુન્‍નત કરાવી ન હોય તેનો મારા લોકમાંથી બહિષ્કાર કરવો; કારણ, તેણે મારો કરાર તોડયો છે.” વળી, ઈશ્વરે અબ્રાહામને કહ્યું, “તું હવે તારી પત્નીને ‘સારાય’ નામથી સંબોધીશ નહિ, પણ તેનું નામ ‘સારા’ રાખ. હું તેને આશિષ આપીશ અને તેને પેટે તને એક પુત્ર થશે. હું તેને સાચે જ આશિષ આપીશ અને તે પ્રજાઓની માતા બનશે; તેના વંશજોમાંથી પ્રજાઓના રાજાઓ ઊભા થશે.” ત્યારે અબ્રાહામે ભૂમિ સુધી માથું નમાવીને પ્રભુને પ્રણામ કર્યા. તે હસ્યો અને મનમાં બોલ્યો, “શું સો વર્ષના માણસને પુત્ર થશે? નેવું વર્ષની વયે શું સારા બાળકને જન્મ આપશે?” અબ્રાહામે ઈશ્વરને કહ્યું, “અરે, તમારી કૃપામાં માત્ર ઇશ્માએલ જીવતો રહે તો ય બસ!” ત્યારે ઈશ્વરે કહ્યું, “તારી પત્ની સારાને તારાથી એક પુત્ર જનમશે; તારે તેનું નામ ઈસ્હાક [અર્થાત્ તે હસે છે] પાડવું. હું તેની સાથે કરાર કરીશ. એ કરાર તેના વંશજોને માટે કાયમનો કરાર થશે. ઇશ્માએલ વિષે પણ મેં તારી અરજ સાંભળી છે. જો, હું તેને આશિષ આપીશ, તેની વંશવૃદ્ધિ કરીશ અને તેના વંશજોની સંખ્યા ઘણી વધારીશ. તે બાર કુળના પ્રથમ પૂર્વજોનો પિતા થશે અને તેનાથી હું એક મોટી પ્રજા ઊભી કરીશ. પરંતુ આવતે વર્ષે નિયત સમયે સારા તારે માટે ઇસ્હાકને જન્મ આપશે. હું તેની સાથે મારો કરાર સ્થાપીશ.” અબ્રાહામ સાથે વાત પૂરી કરીને ઈશ્વર તેની પાસેથી ગયા. ઈશ્વરે કહ્યું હતું તે પ્રમાણે અબ્રાહામે તે જ દિવસે પોતાના ઘરના પ્રત્યેક પુરુષની એટલે, પોતાના પુત્ર ઇશ્માએલની તથા પોતાના ઘરમાં જન્મેલા કે પૈસાથી ખરીદેલા બધા ગુલામોની સુન્‍નત કરાવી. અબ્રાહામની સુન્‍નત કરવામાં આવી ત્યારે તે નવ્વાણું વર્ષનો હતો. તેના દીકરા ઇશ્માએલની સુન્‍નત કરવામાં આવી ત્યારે તે તેર વર્ષનો હતો. એક જ દિવસે અબ્રાહામ અને તેના દીકરા ઇશ્માએલની સુન્‍નત કરવામાં આવી. તેના ઘરમાં જન્મેલા તથા પરદેશી પાસેથી પૈસા આપીને ખરીદેલા ગુલામોની સુન્‍નત પણ અબ્રાહામની સાથે જ કરવામાં આવી. પ્રભુએ અબ્રાહામને મામરેનાં એલોન વૃક્ષો પાસે દર્શન આપ્યું. અબ્રાહામ ભરબપોરે તંબુના પ્રવેશદ્વાર પાસે બેઠો હતો. તેણે નજર ઊઠાવીને જોયું તો પોતાની સામે તેણે ત્રણ માણસોને ઊભેલા જોયા. તેમને જોઈને તે તંબુના પ્રવેશદ્વારેથી દોડીને તેમને મળવા સામે ગયો. તેણે ભૂમિ સુધી માથું નમાવીને તેમને પ્રણામ કર્યા અને કહ્યું, “મારા સ્વામી, તમે મારા પર પ્રસન્‍ન થયા હો તો તમારા આ સેવક પાસેથી જતા રહેશો નહિ. હું થોડું પાણી લઈ આવું એટલે તમે પગ ધોઈ લો અને પછી આ વૃક્ષ નીચે આરામ કરો. તમે તમારા દાસને ત્યાં આવ્યા જ છો તો મને તમારે માટે થોડો ખોરાક લાવવા દો, જેથી તે ખાઈને તાજા થઈને તમે તમારે માર્ગે જઈ શકો.” તેથી તેમણે કહ્યું, “ભલે, તારા કહેવા પ્રમાણે કર.” પછી અબ્રાહામ તરત જ સારા પાસે તંબુમાં ગયો. તેણે તેને કહ્યું, “ત્રણ માપ લોટ મસળીને જલદી જલદી રોટલી બનાવી દે.” પછી અબ્રાહામ દોડીને ઢોરનાં ટોળાં તરફ ગયો. તેણે તેમાંથી એક કુમળું અને સારું વાછરડું લાવીને નોકરને આપ્યું, એટલે નોકર પણ તે જલદી જલદી બનાવવા લાગ્યો. પછી અબ્રાહામે દહીં, દૂધ તથા પેલું રાંધેલું વાછરડું લાવીને તેમની આગળ પીરસ્યાં, તેઓ જમતા હતા તે દરમ્યાન તે તેમની સરભરામાં વૃક્ષ નીચે ઊભો રહ્યો. તેમણે અબ્રાહામને પૂછયું, “તારી પત્ની સારા ક્યાં છે?” તેણે કહ્યું, “તે ત્યાં તંબુમાં છે.” પ્રભુએ કહ્યું, “આવતે વર્ષે નિયત સમયે હું તારે ત્યાં પાછો આવીશ અને ત્યારે તારી સ્ત્રી સારાને પુત્ર હશે.” અબ્રાહામની પાછળ જ તંબુના પ્રવેશદ્વાર નજીક ઊભા રહીને સારાએ તે સાંભળ્યું. હવે અબ્રાહામ અને સારા વૃદ્ધ થયાં હતાં અને તેમની ઉંમર ઘણી થઈ હતી. વળી, સારાને રજોદર્શન પણ બંધ થયું હતું. તેથી સારા એકલી એકલી હસી અને મનમાં બોલી, “હું વૃદ્ધ થઈ છું અને મારા પતિ પણ વૃદ્ધ થયા છે; તો હવે હું દેહસુખ માણી શકું ખરી?” પ્રભુએ અબ્રાહામને કહ્યું, “‘હું વૃદ્ધ હોવા છતાં મને પુત્ર થાય ખરો?’ એવું કહેતાં સારા કેમ હસી? શું પ્રભુને કંઈ અશક્ય છે? આવતે વર્ષે નિયત સમયે હું તારી પાસે પાછો આવીશ અને સારાને ત્યારે પુત્ર થયો હશે.” સારાએ ડરના માર્યા કહ્યું, “હું હસી નથી. ” પણ તેમણે કહ્યું, “હા, તું ખરેખર હસી.” પછી તે પુરુષો ત્યાંથી ઊભા થયા અને તેમણે સદોમ તરફ નજર કરી. અબ્રાહામ તેમને વળાવવા તેમની સાથે ગયો. પ્રભુએ વિચાર્યું, “હું જે કરવાનો છું તે શું હું અબ્રાહામથી છૂપું રાખું? અબ્રાહામ દ્વારા તો હું એક મહાન અને સમર્થ પ્રજા ઊભી કરવાનો છું અને પૃથ્વીની બધી પ્રજાઓ તેની મારફતે આશિષ પ્રાપ્ત કરશે. કારણ, મેં જ તેને પસંદ કર્યો છે. તે તેનાં સંતાનોને અને તેના પછી આવનાર પરિવારોને આજ્ઞા કરશે કે, જે સાચું અને યથાર્થ છે તેનું પાલન કરીને તેઓ પ્રભુના માર્ગમાં ચાલે જેથી અબ્રાહામને આપેલું વચન હું પાળી શકું.” પછી પ્રભુએ કહ્યું, “સદોમ અને ગમોરાની વિરુદ્ધ બહુ મોટી ફરિયાદ આવી છે અને તેમનાં પાપ અઘોર છે. એટલે હવે હું જઈને જોઈશ કે મારી પાસે પહોંચેલી ફરિયાદ પ્રમાણેનાં તેમનાં કામ છે કે કેમ. જો તેમનાં કામ એવાં નહિ હોય તો ય મને ખબર પડશે.” પછી બે પુરુષો ત્યાંથી નીકળીને સદોમ તરફ ગયા. પણ પ્રભુ અબ્રાહામની સાથે રોકાયા. અબ્રાહામે પ્રભુની પાસે જઈને કહ્યું, “શું તમે દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરશો? જો તે શહેરમાં પચાસ સદાચારીઓ હોય તો પણ શું તમે તેનો નાશ કરશો? એ પચાસ સદાચારીઓ ખાતર એ શહેરને તમે નહિ બચાવો? દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરવો એ તમારાથી દૂર રહો. એમ થાય તો સદાચારીઓ દુરાચારીઓની બરાબર ગણાય; એવું કરવું તમારાથી દૂર રહો. સમસ્ત પૃથ્વીના ન્યાયાધીશ શું સાચો ન્યાય નહિ કરે?” ત્યારે પ્રભુએ કહ્યું, “જો સદોમમાં મને પચાસ સદાચારી મળે તો તેમની ખાતર હું આખા શહેરને બચાવીશ.” અબ્રાહામ ફરીથી બોલ્યો, “હું તો ધૂળ અને રાખ સમાન છું, છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત કરું છું. કદાચ પચાસ સદાચારીમાં પાંચ ઓછા હોય તો એ પાંચની ખોટને લીધે શું તમે આખા શહેરનો નાશ કરશો?” પ્રભુએ ઉત્તર આપ્યો, “જો ત્યાં પિસ્તાલીસ સદાચારી હોય તો પણ હું તેનો નાશ કરીશ નહિ.” અબ્રાહામે ફરી પ્રભુને કહ્યું, “જો ચાલીસ જ મળે તો?” પ્રભુએ કહ્યું, “ચાલીસને લીધે પણ હું નાશ કરીશ નહિ.” ત્યારે અબ્રાહામે કહ્યું, “પ્રભુ, તમને રોષ ન ચડે તો હું બોલું. ધારો કે ત્રીસ જ મળે તો?” પ્રભુએ કહ્યું, “જો ત્યાં ત્રીસ જ સદાચારી મળે તો પણ હું તેનો નાશ કરીશ નહિ.” અબ્રાહામે કહ્યું, “હજી હું પ્રભુ સમક્ષ બોલવાની હિંમત કરું છું. જો વીસ જ સદાચારી મળે તો?” પ્રભુએ જવાબ આપ્યો, “વીસને લીધે પણ હું તેનો નાશ કરીશ નહિ.” અબ્રાહામે કહ્યું, પ્રભુ, તમને રોષ ન ચડે તો આ છેલ્લી વાર બોલું, જો ફક્ત દસ જ મળે તો?” “પ્રભુએ જવાબ આપ્યો, “એ દસને લીધે પણ હું એ શહેરનો નાશ કરીશ નહિ.” પછી અબ્રાહામ સાથે વાત પૂરી કરીને પ્રભુ ચાલ્યા ગયા અને અબ્રાહામ પોતાના તંબુએ પાછો આવ્યો. સંધ્યા સમયે પેલા બે દૂતો સદોમ આવી પહોંચ્યા. લોત ત્યારે સદોમના દરવાજે બેઠો હતો. તેમને જોઈને લોત મળવા ઊભો થયો અને ભૂમિ સુધી માથું નમાવીને તેમને પ્રણામ કરતાં કહ્યું, “મારા સ્વામીઓ, કૃપા કરીને તમારા સેવકને ઘેર પધારો. તમારા પગ ધૂઓ અને ત્યાં જ રાતવાસો કરો. પછી મળસ્કે ઊઠીને તમારે રસ્તે પડજો.” તેમણે કહ્યું, “ના, અમે તો નગરના ચોકમાં જ રાત ગાળીશું.” છતાં તેના અતિ આગ્રહને વશ થઈને તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં રહ્યા. લોતે તેમને માટે જમણની વ્યવસ્થા કરી. તેણે ખમીરરહિત રોટલી બનાવડાવી. પછી તેમણે ભોજન લીધું. પણ તેઓ સૂઈ જાય તે પહેલાં જ સદોમના વૃદ્ધ અને જુવાન સર્વ લોકો આવ્યા અને તેમણે તે ઘરને ઘેરી લીધું. તેમણે લોતને હાંક મારીને કહ્યું, “આજે રાત્રે તારે ત્યાં આવેલા માણસો કયાં છે? તેમને અમારી પાસે બહાર લાવ કે જેથી અમે તેમની ઝડતી લઈએ.” લોત લોકોને મળવા ઘર બહાર આવ્યો અને પોતાની પાછળ બારણું બંધ કર્યું. તેણે કહ્યું, “મારા ભાઈઓ, મારી તમને વિનંતી છે કે તમે એવું દુષ્ટ કામ ન કરો. જુઓ, મારે બે પુત્રીઓ છે. તેમણે કોઈ પુરુષ સાથે સમાગમ કર્યો નથી. હું તેમને તમારી સમક્ષ લઈ આવું. તમારે તેમને જે કરવું હોય તે કરો. પણ આ માણસોને કંઈ કરશો નહિ; કારણ, તેઓ મારા છાપરાના આશ્રય નીચે આવ્યા છે.” પણ લોકોએ કહ્યું, “તું તો અમારી મધ્યે આવેલો પરદેશી છે અને હવે અમારો ન્યાયાધીશ થઈ બેઠો છે! વચમાંથી ખસી જા. નહિ તો, અમે તેમના કરતાં પણ તને વધારે દુ:ખ દઈશું. પછી તેમણે લોત પર ધક્કાધક્કી કરી અને બારણું તોડી નાખવા નજીક આવ્યા. પણ પેલા બે પુરુષોએ હાથ લંબાવીને લોતને ઘરમાં પાછો ખેંચી લીધો અને બારણું બંધ કરી દીધું. પછી તેમણે બારણા આગળ એકઠા થયેલા નાનામોટા બધા લોકોને આંધળા બનાવી દીધા, જેથી તેઓ બારણું શોધી શકાયા નહિ. પછી પેલા માણસોએ લોતને કહ્યું, “અહીં તારાં કોઈ બીજાં સગાં છે? તારા જમાઈઓ, દીકરા અથવા બીજાં કોઈ સગાં છે? જો હોય તો તેમને સૌને લઈને શહેર બહાર જતો રહે. અમે આ સ્થળનો નાશ કરવાના છીએ, કારણ, પ્રભુની આગળ આ લોકો વિરુદ્ધ મોટી ફરિયાદ પહોંચી છે. એટલે તો પ્રભુએ અમને આ શહેરનો નાશ કરવા મોકલ્યા છે.” તેથી લોત બહાર ગયો અને પોતાના ભાવિ જમાઈઓને કહ્યું, “જલદી કરો, આ શહેરમાંથી બહાર નીકળી જાઓ; કારણ, પ્રભુ આ શહેરનો નાશ કરવાના છે.” પણ તેના જમાઈઓને લાગ્યું કે લોત માત્ર મજાક ઉડાવે છે. વહેલી સવારે દૂતોએ લોતને ચેતવણી આપતાં કહ્યું, “ઊઠ, તારી પત્નીને અને તારી બે દીકરીઓ જે અહીં છે, તેમને લઈને જલદી જતો રહે, નહિ તો આ શહેરનો નાશ થાય, ત્યારે તેની સાથે તમે પણ નાશ પામશો.” લોત જતાં ખચકાતો હતો, પણ ઈશ્વર તેના પર દયાળુ હોવાથી પેલા બે પુરુષો તેને, તેની પત્નીને અને તેની બે દીકરીઓને હાથ પકડીને શહેર બહાર લઈ ગયા. તેમને બહાર લાવ્યા પછી એક દૂતે તેમને કહ્યું, “તમારો જીવ લઈને નાસો, પાછા વળીને જોશો નહિ અને ખીણપ્રદેશમાં કોઈ જગ્યાએ ન રોકાતાં પર્વત પર નાસી જાઓ, નહિ તો તમારો પણ નાશ થઈ જશે.” લોતે તેમને કહ્યું, “ના, મારા સ્વામી, તમારા આ સેવક પર તમારી રહેમનજર થઈ છે. મારો જીવ બચાવીને તમે મારા પર અપાર દયા દર્શાવી છે. પણ હું પર્વતોમાં નાસી જઈ શકું તેમ નથી. કદાચ ત્યાં પહોંચતાં પહેલાં જ મારા પર સંકટ આવી પડે અને હું મરી જઉં. જુઓ, પેલું નગર નજીક હોવાથી ત્યાં નાસી જઈ શકાય તેમ છે. તે નાનું છે. મને ત્યાં નાસી જવા દો એટલે મારો જીવ બચી જશે. શું એ નાનું નથી?” પ્રભુએ લોતને કહ્યું, “જો મેં તારી એ વિનંતી પણ માન્ય રાખી છે. જે નગર વિષે તેં કહ્યું તેનો હું નાશ કરીશ નહિ. ત્યાં જલદી નાસી જા, કારણ, તું ત્યાં પહોંચે નહિ ત્યાં સુધી હું કંઈ કરી શક્તો નથી.” આથી એ નગરનું નામ ‘સોઆર’ [નાનું] પડયું. લોત સોઆર પહોંચ્યો ત્યારે પૃથ્વી પર સૂર્યોદય થયો હતો. ત્યારે પ્રભુએ સદોમ અને ગમોરા પર આકાશમાંથી ગંધક અને આગ વરસાવ્યાં. તેમણે તે શહેરોનો, એ ખીણપ્રદેશનો, બધા નગરવાસીઓનો અને ભૂમિ ઉપર ઊગેલી બધી વનસ્પતિનો નાશ કર્યો. પણ લોતની પછવાડે ચાલતી તેની પત્નીએ પાછળ જોયું એટલે તે મીઠાનો થાંભલો થઈ ગઈ. વહેલી સવારે અબ્રાહામ જાગ્યો અને પોતે પ્રભુની સમક્ષ જે સ્થળે તે ઊભો રહ્યો હતો ત્યાં ગયો. તેણે સદોમ અને ગમોરા તરફ તેમ જ સમગ્ર ખીણપ્રદેશ તરફ જોયું તો ત્યાંથી ભઠ્ઠીના ધૂમાડાની જેમ ધૂમાડો ઉપર ચડતો હતો. ઈશ્વરે ખીણપ્રદેશનાં શહેરોનો નાશ કર્યો ત્યારે તેમણે અબ્રાહામને સંભાર્યો, એટલે જે શહેરમાં લોત રહેતો હતો તેનો નાશ કર્યો ત્યારે તેમણે લોતને ઉગારી લીધો. લોત સોઆરમાંથી નીકળીને પોતાની બે પુત્રીઓ સાથે પર્વતોમાં રહેવા ચાલ્યો ગયો. કારણ, સોઆરમાં રહેતાં તેને ડર લાગ્યો. તે પોતાની બે પુત્રીઓ સાથે ગુફામાં રહ્યો. તેની મોટી પુત્રીએ નાની પુત્રીને કહ્યું, “આપણા પિતા વૃદ્ધ થયા છે અને આ દુનિયાના રિવાજ પ્રમાણે જેની સાથે આપણે લગ્ન કરી શકીએ એવો કોઈ પુરુષ અહીં નથી. તેથી ચાલ, આપણે આપણા પિતાને દ્રાક્ષાસવ પીવડાવીએ અને તેમની સાથે સમાગમ કરીએ, જેથી આપણા દ્વારા આપણા પિતાનો વંશ ચાલુ રહે.” તેથી તેમણે તે રાત્રે પોતાના પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો અને મોટી દીકરી અંદર જઈને તેના પિતા સાથે સૂઈ ગઈ. તે ક્યારે સૂઈ ગઈ અને ક્યારે ઊઠી તેની લોતને ખબર પડી નહિ. બીજે દિવસે મોટીએ નાનીને કહ્યું, “જો ગઈ કાલે રાત્રે હું આપણા પિતા સાથે સૂઈ ગઈ હતી. આજે રાત્રે પણ આપણે તેમને દ્રાક્ષાસવ પીવડાવીએ. પછી તું પણ જઈને તેમની સાથે સૂઈ જજે. જેથી આપણા દ્વારા આપણા પિતાનો વંશ ચાલુ રહે.” એટલે તેમણે તે રાત્રે પણ પોતાના પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો અને નાની દીકરી અંદર જઈને તેના પિતા સાથે સૂઈ ગઈ, પણ તે ક્યારે સૂઈ ગઈ અને ક્યારે ઊઠી તેની લોતને ખબર પડી નહિ. આમ, લોતની બન્‍ને પુત્રીઓ પોતાના પિતાથી ગર્ભવતી થઈ. મોટી પુત્રીએ પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ મોઆબ (અર્થાત્ મારા પિતામાંથી) પાડયું. તે જ આજના મોઆબીઓનો આદિપિતા છે. નાની પુત્રીએ પણ પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ બેન-આમ્મી (મારા લોકનો પુત્ર) પાડયું. તે જ આજના આમ્મોનીઓનો આદિપિતા છે. ત્યાંથી અબ્રાહામ નેગેબ પ્રદેશ તરફ ગયો અને કાદેશ તથા શૂરની વચ્ચે વસ્યો. થોડો સમય તે ગેરારમાં રહેવા ગયો. અબ્રાહામે પોતાની પત્ની સારા વિષે કહ્યું કે તે મારી બહેન છે. તેથી ગેરારના રાજા અબિમેલેખે સારાને બોલાવડાવીને રાખી લીધી. પણ રાત્રે ઈશ્વરે અબિમેલેખને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, “જો, તારા ઘરમાં તેં જે સ્ત્રી રાખી છે તેને લીધે તારું મોત આવી લાગ્યું છે. કારણ, તે પરણેલી સ્ત્રી છે.” અબિમેલેખ હજી સારા પાસે ગયો પણ નહોતો. તેથી તેણે કહ્યું, “પ્રભુ, તમે મારા નિર્દોષ લોકોનો નાશ કરશો? એ માણસે પોતે મને નહોતું કહ્યું કે, ‘તે મારી બહેન છે?’ વળી, તે સ્ત્રીએ પણ કહ્યું હતું કે, ‘તે મારો ભાઈ છે.’ મેં તો નિષ્કપટ અંત:કરણથી અને શુદ્ધ હાથે એ કર્યું છે.” ત્યારે ઈશ્વરે તેને સ્વપ્નમાં કહ્યું, “હા, મને ખબર છે કે તેં નિષ્કપટપણે એ કામ કર્યું છે. તેથી તો મેં તને મારી વિરુદ્ધ પાપ કરતો અટકાવ્યો છે અને એટલે જ મેં તને સારાને અડકવા પણ દીધો નથી. તેથી હવે તું તે માણસને તેની પત્ની પાછી સોંપી દે, કારણ, તે ઈશ્વરનો સંદેશવાહક છે. તે તારે માટે પ્રાર્થના કરશે એટલે તું જીવતો રહેશે. પણ જો તું તેને પાછી નહિ સોંપે તો સમજી લેજે કે તારું તથા તારા સર્વ લોકનું મોત નિશ્ર્વિત છે.” તેથી અબિમેલેખે વહેલી સવારે ઊઠીને પોતાના બધા નોકરોને બોલાવ્યા અને તેમને બધી વાતો કહી સંભળાવી એટલે તેઓ પણ ખૂબ ગભરાયા. પછી અબિમેલેખે અબ્રાહામને બોલાવીને કહ્યું, “તેં અમારી સાથે આવો વર્તાવ કેમ કર્યો? મેં તારો શો ગુનો કર્યો છે કે તેં મને અને મારા લોકને ભયંકર પાપમાં નાખ્યા? તેં મારી સાથે નહિ કરવા જેવો વર્તાવ કર્યો છે. તેં કેવા વિચારથી એવું કર્યું?” અબ્રાહામે કહ્યું, “મને થયું કે આ દેશમાં ઈશ્વરનો ડર નથી અને મારી પત્નીને લીધે આ લોકો મને મારી નાખશે. વળી, તે મારી બહેન પણ છે. કારણ, તે મારા પિતાની પુત્રી છે, પણ મારી માતાની પુત્રી નથી; અને તે મારી પત્ની બની. મારા પિતાનું ઘર મૂકી દઈને એક સ્થળેથી બીજે સ્થળે પ્રવાસ કરવા ઈશ્વરે મને આજ્ઞા આપી ત્યારે મેં સારાને કહ્યું હતું: ‘તારે મારા પર આટલી કૃપા કરવી પડશે; એટલે, આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં તારે એમ કહેવું કે હું તારો ભાઈ છું!” પછી અબિમેલેખે અબ્રાહામને ઘેટાં, ઢોર તેમ જ નોકરચાકર આપ્યાં અને તેની પત્ની સારા પણ તેને પાછી સોંપી. અબિમેલેખે તેને કહ્યું, “જો, મારો આખો દેશ તારી આગળ છે. તારી ઇચ્છા હોય ત્યાં રહે.” સારાને તેણે કહ્યું, “જો, હું તારા ભાઈને ચાંદીના હજાર સિક્કા આપું છું. તારી સાથેના સર્વ લોકો સમક્ષ એ તારા બચાવને અર્થે સાબિતીરૂપ છે. કારણ, તું સૌની સમક્ષ નિર્દોષ ઠરેલી છે.” પછી અબ્રાહામે ઈશ્વરને પ્રાર્થના કરી એટલે ઈશ્વરે અબિમેલેખને તેમ જ તેની પત્ની તથા દાસીઓને સાજાં કર્યાં અને તેમનું વંધ્યત્વ દૂર કર્યું. કારણ, અબ્રાહામની પત્ની સારાને લીધે ઈશ્વરે અબિમેલેખના ઘરની બધી સ્ત્રીઓને વંધ્યા બનાવી દીધી હતી. પ્રભુએ પોતાના કહેવા મુજબ સારા પર કૃપાદૃષ્ટિ કરી અને પોતાના વચન પ્રમાણે સારાના હક્કમાં કર્યું; એટલે કે સારા ગર્ભવતી થઈ અને ઈશ્વરે જે સમય જણાવ્યો હતો તે સમયે તેણે અબ્રાહામની વૃદ્ધાવસ્થામાં તેના પુત્રને જન્મ આપ્યો. અબ્રાહામે સારાથી જન્મેલા પોતાના પુત્રનું નામ ઇસ્હાક (અથાત્ ‘તે હસે છે’) પાડયું. ઇસ્હાક આઠ દિવસનો થયો ત્યારે ઈશ્વરની આજ્ઞા મુજબ અબ્રાહામે તેની સુન્‍નત કરી. ઇસ્હાક જન્મ્યો ત્યારે અબ્રાહામની ઉંમર સો વર્ષની થઈ હતી. સારાએ કહ્યું, “ઈશ્વરે મને હસવાનો પ્રસંગ આપ્યો છે. મારી આ વાત સાંભળનાર સૌ કોઈ હસશે.” વળી, તેણે કહ્યું, “અબ્રાહામને કોણે કહ્યું હોત કે સારા બાળકને ધવડાવશે? છતાં તેની વૃદ્ધાવસ્થામાં મેં પુત્રને જન્મ આપ્યો છે.” બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. ઇસ્હાકે ધાવણ છોડયું તે દિવસે અબ્રાહામે મોટું જમણ આપ્યું. એક વખતે સારાએ ઇજિપ્તી હાગારથી થયેલા અબ્રાહામના પુત્ર ઇશ્માએલને ઇસ્હાકને ચીડવતો જોયો. તેથી તેણે અબ્રાહામને કહ્યું, “આ દાસીને તથા તેના પુત્રને કાઢી મૂકો, કારણ, એ દાસીનો પુત્ર મારા પુત્ર ઇસ્હાક સાથે વારસ થઈ શકે નહિ.” અબ્રાહામને એ વાતથી ઘણું દુ:ખ થયું, કારણ, ઇશ્માએલ પણ તેનો પુત્ર હતો. પણ ઈશ્વરે અબ્રાહામને કહ્યું, “તારા પુત્ર તથા તારી દાસીને લીધે તું દુ:ખી થઈશ નહિ, પણ સારાના કહેવા પ્રમાણે કર. કારણ, તારો વંશ ઇસ્હાકથી ચાલુ રહેશે. વળી, હું એ દાસીના પુત્રથી પણ એક પ્રજા ઊભી કરીશ; કારણ, એ પણ તારો પુત્ર છે.” અબ્રાહામ વહેલી સવારે ઊઠયો. તેણે રોટલી તથા મશક લઈને હાગારને ખભે મૂકાવ્યાં. તેનો છોકરો પણ તેને સોંપ્યો અને તેને વિદાય કરી. હાગાર ત્યાંથી નીકળીને બેરશેબાના રણપ્રદેશમાં ભટકવા લાગી. મશકમાંનું પાણી ખૂટી ગયું એટલે તેણે છોકરાને એક છોડવા નીચે મૂકી દીધો. અને તીર ફેંકી શકાય તેટલે દૂર જઈને તે પોતાનું મોં ફેરવીને બેઠી અને બોલી, “મારે છોકરાને મરતો જોવો નથી.” પછી તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ઈશ્વરે એ છોકરાનો અવાજ સાંભળ્યો. ઈશ્વરના દૂતે આકાશમાંથી હાંક મારીને કહ્યું, “હાગાર, તને શું થયું છે? ગભરાઈશ નહિ. કારણ, છોકરો જ્યાં છે ત્યાંથી ઈશ્વરે તેનો અવાજ સાંભળ્યો છે. ઊઠ, છોકરાને ઊંચકી લે અને તેને તારા હાથમાં સંભાળી લે. કારણ, હું તેનાથી એક મોટી પ્રજા ઊભી કરીશ.” પછી ઈશ્વરે તેની આંખો ઉઘાડી અને તેણે પાણીનો એક કૂવો જોયો. ત્યાં જઈને તેણે મશકમાં પાણી ભરી લીધું અને છોકરાને પીવડાવ્યું. ઈશ્વર એ છોકરાની સાથે હતા ને તે મોટો થયો. રણપ્રદેશમાં રહીને તે તીરંદાજ બન્યો. તે પારાનના રણપ્રદેશમાં રહેતો. અને તેની માતાએ તેને ઇજિપ્તમાંથી પત્ની લાવી આપી. એ અરસામાં અબિમેલેખ અને તેના સેનાપતિ ફિકોલે અબ્રાહામ પાસે જઈને તેને કહ્યું, “ તારાં સર્વ કાર્યોમાં ઈશ્વર તારી સાથે છે. એટલે અત્યારે તું મારી સમક્ષ ઈશ્વરના સોગંદ લે કે તું મારી સાથે, મારા સંતાન સાથે તથા મારા વંશજો સાથે દગો નહિ કરે, પણ હું તારી સાથે વફાદારીપૂર્વક વર્ત્યો છું તેમ તું પણ મારી સાથે તથા જે દેશમાં તું રહે છે તેના વતનીઓ સાથે વર્તશે. ત્યારે અબ્રાહામે કહ્યું, “હું એવા સોગંદ લઉં છું.” હવે અબિમેલેખના નોકરોએ બળજબરીથી જે કૂવો પચાવી પાડયો હતો તે વિષે અબ્રાહામે અબિમેલેખને ફરિયાદ કરી. ત્યારે અબિમેલેખે કહ્યું, “એવું કોણે કર્યું છે તેની મને ખબર નથી. વળી, તેં પણ મને તે વિષે જણાવ્યું નથી. મને તો આજે જ તેની જાણ થાય છે.” પછી અબ્રાહામે ઘેટાં અને આખલા લાવીને અબિમેલેખને આપ્યાં અને તે બન્‍ને જણે કરાર કર્યો. અબ્રાહામે ટોળામાંથી સાત ઘેટીઓ અલગ પાડી. અબિમેલેખે તેને પૂછયું, “તેં આ સાત ઘેટીઓ અલગ પાડી તેનો શો અર્થ છે?” ત્યારે અબ્રાહામે કહ્યું, “આ સાત ઘેટીઓ તારે મારી પાસેથી લેવાની છે અને આ કૂવો મેં ખોદ્યો છે એની એ સાબિતી થશે.” તેથી તે સ્થળનું નામ ‘બેરશેબા’ એટલે સમનો કૂવો પડયું. કારણ, એ બન્‍નેએ ત્યાં સોગંદ ખાધા હતા. આમ, તેમણે બેરશેબામાં કરાર કર્યો. ત્યાર પછી અબિમેલેખ અને તેનો સેનાપતિ ફિકોલ ત્યાંથી પલિસ્તીયામાં પાછા ગયા. અબ્રાહામે બેરશેબામાં પ્રાંસનું વૃક્ષ રોપ્યું અને ત્યાં સાર્વકાલિક ઈશ્વર યાહવેને નામે ભજન કર્યું. અબ્રાહામ પલિસ્તીઓના દેશમાં ઘણા દિવસ રહ્યો. થોડા સમય પછી ઈશ્વરે અબ્રાહામની ક્સોટી કરી. તેમણે તેને કહ્યું, “અબ્રાહામ!” અબ્રાહામે જવાબ આપ્યો, “હા પ્રભુ.” ઈશ્વરે કહ્યું, “તારો પુત્ર, તારો એકનોએક પુત્ર ઇસ્હાક, જેના પર તું અત્યંત પ્રેમ રાખે છે તેને લઈને મોરિયા પ્રદેશમાં જા, અને ત્યાં હું દેખાડું તે પર્વત પર તેનું મને દહનબલિ તરીકે અર્પણ ચડાવ.” બીજે દિવસે વહેલી સવારે અબ્રાહામે દહનબલિ માટે લાકડાં કાપ્યાં, ગધેડાં પર બાંધ્યાં અને ઇસ્હાક તથા પોતાના બે નોકરોને સાથે લઈને પ્રભુએ તેને જે સ્થળે જવા આજ્ઞા કરી હતી તે તરફ ચાલી નીકળ્યો. ત્રીજે દિવસે અબ્રાહામે નજર ઉઠાવીને દૂરથી તે સ્થળ જોયું. પછી તેણે પોતાના નોકરોને કહ્યું, “તમે અહીં ગધેડાની સાથે રહો. હું અને છોકરો ત્યાં જઈએ છીએ. ભજન કર્યા પછી અમે તમારી પાસે પાછા આવીશું.” અબ્રાહામે ઇસ્હાકની પાસે બલિદાન માટેનાં લાકડાં ઉપડાવ્યાં અને પોતાના હાથમાં અગ્નિ તથા છરો લઈ લીધાં. તેઓ જતા હતા ત્યારે ઇસ્હાક બોલી ઊઠયો, “પિતાજી!” અબ્રાહામે કહ્યું, “શું છે દીકરા?” ઇસ્હાકે પૂછયું, “આપણી પાસે અગ્નિ અને લાકડાં તો છે, પરંતુ બલિદાનને માટે ઘેટું ક્યાં છે? અબ્રાહામે જવાબ આપ્યો, “દીકરા, એ તો ઈશ્વર પોતે દહનબલિ માટે ઘેટું પૂરું પાડશે.” એમ તેઓ બન્‍ને સાથે ગયા. પ્રભુએ જે સ્થળ વિષે કહ્યું હતું ત્યાં તેઓ આવ્યા ત્યારે અબ્રાહામે એક વેદી બાંધી અને તેના પર લાકડાં ગોઠવ્યાં. પછી તેણે પોતાના દીકરા ઇસ્હાકને બાંધીને વેદી ઉપરનાં લાકડાં પર મૂક્યો. પછી અબ્રાહામે પોતાના પુત્રને મારવા હાથમાં છરો ઉપાડયો. પરંતુ આકાશમાંથી પ્રભુના દૂતે તેને હાંક મારી, “અબ્રાહામ, અબ્રાહામ!” તેણે જવાબ આપ્યો, “હું આ રહ્યો.” તેણે કહ્યું, “છોકરા પર તારો હાથ નાખીશ નહિ કે તેને કંઈ ઈજા કરીશ નહિ. હવે હું જાણું છું કે તું ઈશ્વરનો ડર રાખે છે. કારણ, તેં તારો એકનોએક પુત્ર પણ મારાથી પાછો રાખ્યો નથી.” અબ્રાહામે આસપાસ જોયું તો ઝાડીમાં શિંગડાથી ભરાઈ પડેલા એક ઘેટાને જોયો. અબ્રાહામ ત્યાં જઈને ઘેટાને લઈ આવ્યો અને તેણે પોતાના દીકરાને બદલે એ ઘેટાનું બલિદાન ચડાવ્યું. અબ્રાહામે તે સ્થળનું નામ યાહવે-યિરેહ (પ્રભુ પૂરું પાડે છે) પાડયું. આજ સુધી લોકોમાં કહેવાય છે કે પ્રભુના પહાડ પર પૂરું પાડવામાં આવશે. પ્રભુના દૂતે આકાશમાંથી બીજીવાર હાંક મારીને કહ્યું, “પ્રભુ કહે છે: હું મારા પોતાના નામના સોગંદ લઉં છું કે હું તને ખૂબ આશિષ આપીશ. કારણ, તેં આ કામ કર્યું છે અને મારાથી તારા પુત્રને પાછો રાખ્યો નથી. હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારાં સંતાન તેમના શત્રુઓને જીતી લેશે. તારા વંશ દ્વારા પૃથ્વી પરની બધી પ્રજાઓ આશિષ પામશે. કારણ, તેં મારી આજ્ઞા પાળી છે.” અબ્રાહામ પોતાના નોકરોની પાસે પાછો આવ્યો અને બેરશેબા જ્યાં તેઓ રહેતા હતા તે સ્થળે પાછા ફર્યા. આ બનાવો બન્યા પછી અબ્રાહામને ખબર મળી કે તેના ભાઈ નાહોરથી મિલ્કાએ પણ પુત્રોને જ જન્મ આપ્યો છે: સૌથી મોટો પુત્ર ઉઝ, તેનો ભાઈ બુઝ, અરામનો પિતા કમુએલ, કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ. બથુએલ રિબકાનો પિતા હતો. આ આઠ પુત્રો અબ્રાહામના ભાઈ નાહોરથી મિલ્કાને પેટે જન્મ્યા હતા. નાહોરને તેની ઉપપત્ની રેઉમા દ્વારા પણ આ પુત્રો થયા: રેબા, ગાહામ, તાહાશ અને માકા. સારા એક્સો સત્તાવીસ વર્ષ જીવી; એટલું તેનું આયુષ્ય હતું. સારા કનાન દેશમાં આવેલા કિર્યાથ-આર્બા એટલે હેબ્રોનમાં અવસાન પામી અને અબ્રાહામ સારા માટે શોક કરવા તથા રુદન કરવા આવ્યો. 5છી પોતાની મૃત પત્ની પાસેથી ઊઠીને અબ્રાહામે હિત્તીઓને કહ્યું, “હું તમારી વચમાં પરદેશી તથા પ્રવાસી છું. મને તમારા વિસ્તારમાં કબર માટે કોઈ જગ્યા આપો કે હું મારી મૃત પત્નીને દફનાવું.” હિત્તીઓએ અબ્રાહામને જવાબ આપ્યો, “સાહેબ, અમારી વાત સાંભળો; તમે તો અમારી વચમાં મોટા આગેવાન છો. અમારી કબરોમાંથી તમને પસંદ પડે તેમાં તમે તમારી મૃત પત્નીને દફનાવો. અમારામાંથી કોઈ પોતાની માલિકીની કબરમાં તમારી મૃત પત્નીને દફનાવવાની ના પાડવાનું નથી.” *** અબ્રાહામે ઊભા થઈને તે પ્રદેશના લોકો એટલે હિત્તીઓને પ્રણામ કર્યા. અને કહ્યું, “હું મારી મૃત પત્નીને અહીં દફનાવું એ માટે તમે સંમત હો તો મારું સાંભળો, ને મારે માટે સોહારના પુત્ર એફ્રોનને વિનંતી કરો કે માખ્પેલામાં તેના ખેતરના છેડે આવેલી તેની માલિકીની ગુફા તે મને વેચાતી આપે. હું તેની પૂરી કિંમત આપીશ અને તે મને તમારી હાજરીમાં તેનો કબર તરીકે ઉપયોગ કરવા કબજો સોંપે.” *** એફ્રોન હિત્તીઓની સાથે જ બેઠો હતો. તેણે નગરના પ્રવેશદ્વારે એકઠા મળેલા આગેવાનોના સાંભળતા કહ્યું, “ના સાહેબ, મારી વાત સાંભળો. હું તમને એ ખેતર અને તેમાં આવેલી ગુફા એ બન્‍ને આપી દઉં છું. હું તમને એ તમારા લોકોની સાક્ષીમાં આપી દઉં છું; તેમાં તમે તમારી મૃત પત્નીને દફનાવો.” અબ્રાહામે તે દેશના લોકોને પ્રણામ કર્યા, અને તેમના સાંભળતા એફ્રોનને કહ્યું, “તમે તે આપવા રાજી હો તો મારી વાત સાંભળો. હું એ ખેતરની કિંમત આપીશ. તમે એ મારી પાસેથી લો તો હું મારી મૃત પત્નીને ત્યાં દફનાવું.” એફ્રોને અબ્રાહામને જવાબ આપ્યો, “સાહેબ, મારી વાત સાંભળો. તમારી અને મારી વચ્ચે 4.5 કિલો ચાંદીના ચારસો સિક્કાની જમીનની શી કિંમત? તમે તમારી મૃત પત્નીને દફનાવો.” એટલે, અબ્રાહામે એફ્રોનની વાત સાંભળીને હિત્તીઓના સાંભળતાં એફ્રોને કહેલી રકમ એટલે 4.5 કિલો ચાંદી વેપારીઓના ચલણમાં હોય એવા તોલમાપ પ્રમાણે તોલીને એફ્રોનને આપી. આમ, અબ્રાહામને નગરના પ્રવેશદ્વારે એકઠા મળેલા બધા હિત્તી લોકોની સાક્ષીએ એફ્રોનના ખેતરનો કબજો તેમાં મામરેની પૂર્વે માખ્પેલામાં આવેલી ગુફા તેમજ આખા ખેતરમાં આવેલાં બધાં વૃક્ષો સહિત મળ્યો. *** એ પછી અબ્રાહામે પોતાની પત્ની સારાને કનાન દેશના હેબ્રોનમાં એટલે મામરેની પૂર્વમાં આવેલા માખ્પેલાની ગુફામાં દફનાવી. આમ, એ ખેતર અને તેમાંની ગુફાનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવા હિત્તીઓએ તેનો કબજો અબ્રાહામને સોંપી દીધો. હવે અબ્રાહામ ઘણો વૃદ્ધ થયો અને તેની ઘણી ઉંમર થઈ હતી. પ્રભુએ તેને બધી બાબતોમાં આશિષ આપી હતી. અબ્રાહામે પોતાના ઘરનો સૌથી જૂનો નોકર જેના હાથમાં ઘરનો બધો કારભાર હતો તેને બોલાવીને કહ્યું, “મારી જાંઘ વચ્ચે તારો હાથ મૂક. હું તારી પાસે આકાશ અને પૃથ્વીના ઈશ્વર યાહવેને નામે સોગંદ લેવડાવીશ કે હું જેમની વચમાં વસુ છું તે કનાનીઓની દીકરીઓમાંથી તું મારા પુત્ર માટે પત્ની લાવીશ નહિ. પણ મારા દેશમાં મારા કુટુંબીજનો પાસે જઈને મારા પુત્ર ઇસ્હાક માટે ત્યાંથી પત્ની લાવજે.” નોકરે તેને કહ્યું, “કદાચ તે સ્ત્રી મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો તમે જે દેશમાંથી આવ્યા છો ત્યાં હું તમારા પુત્રને પાછો લઈ જાઉં?” ત્યારે અબ્રાહામે તેને કહ્યું, “જો જે, મારા પુત્રને ત્યાં પાછો ન લઈ જતો. આકાશના ઈશ્વર પ્રભુ જે મને મારા પિતાના ઘરમાંથી અને મારી જન્મ ભૂમિમાંથી બહાર કાઢી લાવ્યા અને જેમણે ‘હું તારા વંશજોને આ દેશ આપીશ’ એવું વચન મને સોગંદ ખાઈને આપ્યું હતું, તે તારી આગળ પોતાના દૂતને મોકલશે અને ત્યાંથી તું મારા પુત્ર માટે પત્ની લાવજે. પણ જો તે સ્ત્રી તારી સાથે આવવા ખુશ ન હોય તો તું મારા સોગનથી મુક્ત છે. ફક્ત મારા પુત્રને તું ત્યાં પાછો લઈ જઈશ નહિ.” આથી તે નોકરે પોતાના શેઠ અબ્રાહામની જાંઘ વચ્ચે હાથ મૂક્યો અને તે બાબત સંબંધી સોગન ખાધા. પછી નોકરે પોતાના શેઠનાં દસ ઊંટ લીધાં અને પોતાના શેઠના ઘરમાંથી ઉત્તમ ઉત્તમ ચીજો લઈને તે મેસોપોટેમિયામાં આવેલા નાહોરના નગર તરફ જવા ચાલી નીકળ્યો. સાંજે સ્ત્રીઓ પાણી ભરવા જાય છે તે વખતે તેણે નગર બહાર કૂવા પાસે ઊંટોને બેસાડયાં. પછી તેણે કહ્યું, “હે પ્રભુ, મારા માલિક અબ્રાહામના ઈશ્વર, મારું કાર્ય સફળ કરો, અને મારા માલિક અબ્રાહામ ઉપર કૃપા કરો. જુઓ, હું આ ઝરા પાસે ઊભો છું અને નગરજનોની છોકરીઓ પાણી ભરવા આવે છે. હવે એવું થવા દો કે જે કન્યાને હું કહું કે, ‘તારી ગાગર નમાવ કે હું પાણી પીઉં’ અને જે કહે કે, ‘પીઓને; વળી, હું તમારાં ઊંટોને પણ પાઈશ.’ તે જ કન્યા તમારા સેવક ઇસ્હાકની પત્ની થવા તમે નક્કી કરેલી હોય. એ ઉપરથી હું જાણીશ કે મારા માલિક પર તમારી કૃપા છે.” હજી તો તે બોલતો હતો એવામાં રિબકા ખભે ગાગર મૂકીને આવી પહોંચી. તે અબ્રાહામના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી હતી. તે દેખાવમાં સુંદર અને તરુણ કુમારિકા હતી. તેને કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ થયો નહોતો. તે ઊતરીને ઝરા પાસે ગઈ અને ગાગર ભરીને પાછી ઉપર આવી. ત્યારે પેલો નોકર તેની પાસે દોડીને ગયો અને બોલ્યો, “તારી ગાગરમાંથી મને થોડું પાણી પીવડાવ.” રિબકાએ કહ્યું, “પીઓને ભાઈ,” પછી તરત જ પોતાના હાથમાંથી ગાગર ઉતારીને તેણે તેને પાણી પાયું. તેને પાણી પીવડાવી રહ્યા પછી તે બોલી, “તમારાં ઊંટ માટે પણ તેઓ પી રહે ત્યાં સુધી હું પાણી લાવી આપીશ.” એમ કહીને તેણે પોતાની ગાગર હવાડામાં જલદીથી ઠાલવી દીધી અને ફરી પાણી ભરી લાવવા કૂવે દોડી ગઈ. એમ તેણે બધાં ઊંટ માટે પાણી ભર્યું. પેલો માણસ તો પ્રભુએ તેનો પ્રવાસ સફળ કર્યો છે કે કેમ તે જાણવા કંઈપણ બોલ્યા વિના તેને એકીટશે ધ્યનથી જોઈ રહ્યો. ઊંટ પાણી પી રહ્યાં એટલે પેલા માણસે રિબકા માટે 5.5 ગ્રામ સોનાની એક વાળી અને 110 ગ્રામ સોનાની બે બંગડીઓ કાઢીને તેને પહેરાવી. પછી તેણે પૂછયું, “તું કોની પુત્રી છે તે મને કહેશે? શું તારા પિતાના ઘરમાં અમે રાતવાસો કરી શકીએ એટલી જગ્યા છે?” તે કન્યાએ કહ્યું, “હું નાહોર અને મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી છું.” વળી, તે બોલી, “અમારે ત્યાં પુષ્કળ ઘાસચારો છે અને રહેવા માટે જગ્યા પણ છે.” તે માણસે ભૂમિ સુધી માથું નમાવીને ઈશ્વરનું ભજન કર્યું, અને તે બોલ્યો, “મારા માલિક અબ્રાહામના ઈશ્વર પ્રભુ, જેમણે મારા માલિક પર કૃપા કરી છે તેમને ધન્ય હો. પ્રભુ જ મને મારા પ્રવાસમાં મારા માલિકના ભાઈના ઘરને રસ્તે દોરી લાવ્યા છે.” પેલી કન્યાએ દોડી જઈને પોતાની માતાના ઘરનાંને આ બધી વાત જણાવી. રિબકાને લાબાન નામે એક ભાઈ હતો. તે પેલા માણસને મળવા ઝરા પાસે દોડી ગયો. લાબાને પોતાની બહેનને વાળી તેમજ હાથે બંગડીઓ પહેરેલી જોઈ હતી. વળી, તેણે પોતાની બહેન રિબકાને એમ કહેતાં સાંભળી હતી કે ‘તે માણસે મને આમ કહ્યું.’ એટલે તે પેલા માણસને મળવા ગયો તો તે ઝરા આગળ ઊંટો પાસે ઊભો હતો. લાબાને કહ્યું, “ઈશ્વરથી આશિષ પામેલા, તમે અહીં બહાર કેમ ઊભા છો? ઘેર ચાલો. મેં તમારે માટે ઘર અને ઊંટો માટે જગ્યા તૈયાર રાખ્યાં છે.” એટલે તે માણસ ઘરમાં ગયો. લાબાને ઊંટનાં બંધ છોડી સામાન ઉતાર્યો અને તેમને ઘાસચારો નીર્યો. તેણે એ માણસ તથા તેની સાથેના માણસોને પગ ધોવા પાણી પણ આપ્યું. પછી તેમની આગળ ભોજન પણ પીરસ્યું. પણ તે માણસે કહ્યું, “હું શા માટે આવ્યો છું તે કહ્યા પહેલાં હું જમીશ નહિ.” લાબાન બોલ્યો, “તો કહો.” એટલે તેણે કહ્યું, “હું અબ્રાહામનો નોકર છું. પ્રભુએ મારા માલિક અબ્રાહામને ઘણી આશિષ આપી છે અને તે ઘણા મોટા માણસ બન્યા છે. પ્રભુએ તેમને ઘેટાંબકરાં, ઢોરઢાંક, સોનુંરૂપું, દાસદાસીઓ અને ઊંટો તથા ગધેડાં આપ્યાં છે. મારા માલિકની પત્ની સારાએ પોતાની વૃદ્ધાવસ્થામાં એક પુત્રને જન્મ આપ્યો છે અને મારા માલિકે એ પુત્રને બધી સંપત્તિ સોંપી દીધી છે. મારા માલિકે મને આવા સમ લેવડાવ્યા કે, ‘જેમના દેશમાં હું રહું છું તે કનાની લોકોની દીકરીઓમાંથી તારે મારા પુત્ર માટે પત્ની લાવવી નહિ. પણ તારે મારા પિતાના ઘરમાંથી અને મારા કુટુંબીઓમાં જઈને મારા પુત્ર માટે પત્ની લાવવી.’ મેં મારા માલિકને કહ્યું, ‘કદાચ તે સ્ત્રી મારી સાથે ન આવે તો?’ ત્યારે મારા માલિકે કહ્યું, ‘જે પ્રભુની સમક્ષ હું ચાલુ છું તે પોતાના દૂતને તારી સાથે મોકલશે અને તારા પ્રવાસને સફળ બનાવશે. તારે મારાં કુટુંબીજનોમાંથી અને મારા પિતાના ઘરમાંથી મારા પુત્ર માટે પત્ની લાવવી. તું મારા કુટુંબીઓ પાસે જાય તે પછી તું મારા સોગંદથી મુક્ત છે. તું મારા કુટુંબીઓ પાસે જાય અને તેઓ તને કન્યા ન આપે તો પણ તું મારા સોગંદથી મુક્ત છે.’ “આજે હું પેલા ઝરા પાસે આવીને બોલ્યો, ‘મારા માલિક અબ્રાહામના ઈશ્વર પ્રભુ, મારા આ પ્રવાસને તમે સફળ બનાવવાના હો, તો હું આ ઝરા પાસે ઊભો રહું છું. હવે જે કન્યા પાણી ભરવા આવે અને જેને હું કહું, ‘મને તારી ગાગરમાંથી થોડું પાણી પા,’ અને જે મને એમ કહે કે, ‘પીઓને; વળી, હું તમારાં ઊંટ માટે પણ પાણી ભરી લાવીશ’ તે મારા માલિકના પુત્ર માટે તમે પ્રભુએ નક્કી કરેલી પત્ની હોય એવું થવા દો.’ હજી તો હું મનમાં બોલતો હતો એવામાં જ રિબકા ખભે ગાગર લઈને નીકળી અને ઝરા પાસે ઊતરીને તેણે પાણી ભર્યું. મેં તેને કહ્યું, ‘મને પાણી પા.’ એટલે તરત જ ખભેથી ગાગર ઉતારીને તેણે કહ્યું, ‘પીઓને; હું તમારાં ઊંટોને પણ પાઈશ.’ એટલે મેં પાણી પી લીધું અને તેણે ઊંટોને પણ પીવડાવ્યું. પછી મેં તેને પૂછયું, ‘તું કોની પુત્રી છે?’ તેણે કહ્યું, ‘નાહોર અને મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી.’ એટલે મેં તેના નાકમાં વાળી અને હાથમાં બંગડીઓ પહેરાવી. પછી મેં માથું નમાવીને પ્રભુનું ભજન કર્યું અને મારા માલિકના ઈશ્વર પ્રભુને ધન્યવાદ આપ્યો. કારણ, હું મારા માલિકના પુત્ર માટે તેમના ભાઈની પુત્રી પસંદ કરી શકું તે માટે તે મને સાચે રસ્તે દોરી લાવ્યા. હવે તમે મારા માલિક અબ્રાહામ સાથે સચ્ચાઈ અને વફાદારીથી વર્તવા માગતા હો તો જણાવો. એમ ન હોય તો તે પણ મને જણાવો; જેથી મારે કયે રસ્તે જવું તેની મને ખબર પડે.” લાબાન અને બથુએલે જવાબ આપ્યો, “આ બધું તો પ્રભુની ઇચ્છાથી બન્યું છે. એટલે અમે તમને ખરુંખોટું કંઈ કહી શક્તા નથી. આ રિબકા તમારી આગળ છે. તેને લઈ જાઓ અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેનાં લગ્ન તમારા માલિકના પુત્ર સાથે કરાવો.” આ શબ્દો સાંભળીને અબ્રાહામના નોકરે ભૂમિ સુધી પોતાનું માથું નમાવીને પ્રભુનું ભજન કર્યું. પછી સોનાચાંદીનાં દાગીના તથા વસ્ત્રો કાઢીને રિબકાને આપ્યાં. તેણે તેના ભાઈને અને તેની માતાને પણ કીમતી દાગીના આપ્યા. પછી તેણે અને તેની સાથેના માણસોએ ખાધુંપીધું અને રાત ત્યાં જ ગાળી, તેઓ સવારે ઊઠયા ત્યારે એ માણસે કહ્યું, “મને મારા માલિક પાસે જવા દો.” રિબકાના ભાઈએ તથા માતાએ કહ્યું, “કન્યાને થોડા દિવસ અમારી સાથે રહેવા દો. કંઈ નહિ તો ઓછામાં ઓછા દસ દિવસ તો રહેવા દો, તે પછી તે આવશે.” પણ એ માણસે કહ્યું, “પ્રભુએ મારો પ્રવાસ સફળ કર્યો છે. એટલે મને રોકશો નહિ. મને જવા દો જેથી હું મારા માલિકને જઈને મળું.” તેમણે કહ્યું, “તો અમે કન્યાને બોલાવીને પૂછી જોઈએ.” તેથી તેમણે રિબકાને બોલાવીને પૂછયું, “તું આ માણસ સાથે જશે?” તે બોલી, “હું જઈશ.” એટલે તેમણે પોતાની બહેન રિબકા તથા તેની પરિચારિકાને તથા અબ્રાહામના નોકરને અને તેના માણસોને વિદાય કર્યાં. તેમણે રિબકાને આશિષ આપતાં કહ્યું, “અમારી બહેન, તું કરોડો વંશજોની માતા થજે અને તારા વંશજો દુશ્મનોનાં નગરો કબજે કરજો.” પછી રિબકા અને તેની દાસીઓ તૈયાર થઈને ઊંટ પર બેઠી અને પેલા માણસની પાછળ પાછળ ગઈ. આમ, એ નોકર રિબકાને લઈને પોતાને રસ્તે પડયો. એ સમયમાં ઇસ્હાક બેર-લાહાય- રોઈથી આવ્યો હતો; કારણ, તે નેગેબમાં રહેતો હતો. ઇસ્હાક સાંજે ખેતરમાં શોક કરવા ગયો. તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો ઊંટો આવતાં હતાં. રિબકાએ નજર ઊંચી કરીને જોયું અને ઇસ્હાકને જોતાં જ તે પોતાના ઊંટ પરથી ઊતરી પડી. તેણે નોકરને પૂછયું, “આપણા તરફ આ આવે છે તે કોણ છે?” નોકરે કહ્યું, “એ તો મારા માલિક છે.” એટલે રિબકાએ પોતાનો બુરખો ઓઢી લીધો. નોકરે ઇસ્હાકને પોતે જે જે કર્યું હતું તે બધું કહી સંભળાવ્યું. પછી ઇસ્હાક રિબકાને પોતાની માતા સારાના તંબુમાં લાવ્યો અને પત્ની તરીકે તેનો સ્વીકાર કર્યો. તેણે રિબકા ઉપર પ્રેમ કર્યો અને એમ ઇસ્હાક પોતાની માતાના મૃત્યુના દુ:ખમાં દિલાસો પામ્યો. અબ્રાહામે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યાં; તે સ્ત્રીનું નામ કટૂરા હતું. તેને પેટે અબ્રાહામને આ પુત્રો થયા: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશલાક અને શૂઆહ. યોકશાનના બે પુત્રો હતા: શબા અને દદાન. દદાનના પુત્રો: આશૂરીમ, લટુશીમ, લઉસીમ. મિદ્યાનના પુત્રોનાં નામ આ છે: એફા, એફેર, હનોખ, અબીદા અને એલ્દા. એ બધા કટૂરાના વંશજો હતા. અબ્રાહામે પોતાની બધી સંપત્તિ ઇસ્હાકને આપી; પણ પોતાની ઉપપત્નીઓના પુત્રોને તો તેણે બક્ષિસો આપીને પોતે જીવતો હતો તે જ દરમ્યાન ઇસ્હાકથી દૂર પૂર્વપ્રદેશમાં મોકલી દીધા. અબ્રાહામનું આયુષ્ય એકંદરે એક્સો પંચોતેર વર્ષનું હતું. તે પોતાની વૃદ્ધાવસ્થામાં ઘણી મોટી ઉંમરે મરણ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો. તેના પુત્રો ઇસ્હાક અને ઇશ્માએલે તેને મામરેની પૂર્વમાં આવેલા સોહાર હિત્તીના પુત્ર એફ્રોનના ખેતરમાં આવેલી માખ્પેલાની ગુફામાં દફનાવ્યો. એ ખેતર અબ્રાહામે હિત્તીઓ પાસેથી ખરીદ્યું હતું. તેમાં અબ્રાહામને તેની પત્ની સારા પાસે દફનાવવામાં આવ્યો. અબ્રાહામના મૃત્યુ પછી ઈશ્વરે તેના પુત્ર ઇસ્હાકને આશિષ આપી અને ઇસ્હાક બેર-લાહાય-રોઈ પાસે રહેવા લાગ્યો. અબ્રાહામને સારાની ઇજિપ્તી દાસી હાગારથી થયેલા પુત્ર ઇસ્માએલના વંશજો આ પ્રમાણે છે: ઇશ્માએલના પુત્રોનાં નામ વયાનુક્રમે આ પ્રમાણે છે: જયેષ્ઠ પુત્ર નબાયોથ, પછી કેદાર, આદબએલ, મિબ્સામ, મિશ્મા, દુમા, માસ્સા, હદાદ, તેમા, યટુર, નાફીશ, કેદમા. એ ઇશ્માએલના પુત્રો છે. એમનાં નામ પરથી એમનાં નગરો અને મુકામોનાં નામ પડયાં છે. એ બારે જણ પોતપોતાના કુળના પ્રથમ પૂર્વજો હતા. ઇશ્માએલ એક્સો સાડત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો. ઇશ્માએલના વંશજો આશ્શૂર જવાને રસ્તે ઇજિપ્તની પૂર્વ દિશામાં હવીલાથી શૂરની વચ્ચેના પ્રદેશમાં તેમના અન્ય ભાઈઓથી જુદા વસ્યા હતા. અબ્રાહામના પુત્ર ઇસ્હાકની વંશાવળી આ પ્રમાણે છે: અબ્રાહામ ઇસ્હાકનો પિતા હતો. ઇસ્હાકે 40 વર્ષની ઉંમરે મેસોપોટેમિયાના અરામી બથુએલની પુત્રી અને અરામી લાબાનની બહેન રિબકા સાથે લગ્ન કર્યાં. તેની પત્ની વંધ્યા હતી. તેથી તેણે તેને માટે પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તે માન્ય કરી. રિબકા ગર્ભવતી થઈ. તેના પેટમાં બાળકોએ બાઝાબાઝ કરી. તેથી તે બોલી, “જો એમ જ હોય, તો મારા જીવવાનો શો અર્થ?” તે પ્રભુને પૂછવા ગઈ તો પ્રભુએ તેને કહ્યું, “તારા પેટમાં બે પ્રજાઓ છે; જન્મથી જ પરસ્પર વિરોધી એવી બે પ્રજાઓ છે. એક પ્રજા બીજી કરતાં વધારે બળવાન બનશે અને મોટો નાનાનો દાસ થશે.” જ્યારે તેનો પ્રસૂતિકાળ આવી પહોંચ્યો તો જુઓ તેના પેટમાં જોડકાં બાળકો હતાં. પહેલો જન્મ્યો તે લાલ હતો. તેને આખા શરીરે વાળ હતા, જાણે રુંવાટીવાળું કપડું ન હોય! તેથી તેમણે તેનું નામ એસાવ (વાળવાળો) પાડયું. ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી પકડીને નીકળ્યો. તેનું નામ તેમણે યાકોબ (અર્થાત્ એડી પકડનાર) પાડયું. તેઓ જન્મ્યા ત્યારે ઇસ્હાક 60 વર્ષનો હતો. છોકરા મોટા થયા ત્યારે એસાવ કુશળ શિકારી બન્યો અને તેને વનવગડામાં ફરતા રહેવાનું ગમતું; જ્યારે યાકોબ સ્વભાવે શાંત હતો અને તે તંબુઓમાં સ્થાયી જીવન ગાળતો. ઇસ્હાક એસાવ પર પ્રેમ રાખતો હતો; કારણ, એસાવ જે શિકાર લાવે તેમાંથી તે ખાતો હતો. પણ રિબકા યાકોબ પર પ્રેમ રાખતી હતી. એકવાર યાકોબ શાક રાંધતો હતો. એવામાં એસાવ વનવગડામાંથી આવ્યો. તે ખૂબ ભૂખ્યો થયો હતો. એસાવે યાકોબને કહ્યું, “મને આ લાલ શાકમાંથી થોડું ખાવા દે. મને કકડીને ભૂખ લાગી છે.” તેથી તેનું નામ અદોમ (લાલ)પણ પડયું. યાકોબે કહ્યું, “પહેલાં તું મને તારો જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક વેચાતો આપ.” એસાવે કહ્યું, “હું મરવા પડયો છું. જયેષ્ઠપુત્ર તરીકેનો એ મારો હક્ક મને શા કામમાં આવવાનો છે?” યાકોબે કહ્યું, “તું પહેલાં મારી આગળ સોગંદ ખા.” એટલે તેણે તેની આગળ સોગંદ ખાધા અને જયેષ્ઠપુત્ર તરીકેનો પોતાનો હક્ક યાકોબને વેચી દીધો. પછી યાકોબે એસાવને રોટલી અને મસુરની લાલ દાળ આપ્યાં. એસાવ ખાઈપીને ઊઠયો અને પોતાને રસ્તે પડયો. આમ, એસાવે જયેષ્ઠપુત્ર તરીકેનો પોતાનો હક્ક તુચ્છ ગણ્યો. હવે એવું બન્યું કે અબ્રાહામના સમયમાં પહેલાં પડયો હતો તે ઉપરાંત એ દેશમાં બીજો દુકાળ પડયો અને ઇસ્હાક પલિસ્તીઓના રાજા અબિમેલેખ પાસે ગેરારમાં ગયો. પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “તું ઇજિપ્તમાં જઈશ નહિ, પણ આ દેશમાં હું તને કહું ત્યાં જ રહેજે. તું અત્યારે આ દેશમાં જ રહે. હું તારી સાથે રહીશ અને તને આશિષ આપીશ. હું તને અને તારા વંશજોને આ આખો પ્રદેશ આપીશ, ને તારા પિતા અબ્રાહામ આગળ મેં જે સોગંદ ખાધા હતા તે હું પૂરા કરીશ. હું તારા વંશજોને આકાશના તારા જેટલા વધારીશ અને આ બધો પ્રદેશ તારા વંશજોને આપીશ અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓને આશિષ પ્રાપ્ત થશે. કારણ, અબ્રાહામ મારી આજ્ઞાને આધીન થયો હતો અને તેણે મારા આદેશો, મારી આજ્ઞાઓ, મારા વિધિઓ અને મારા નિયમો પાળ્યાં છે.” આમ, ઇસ્હાક ગેરારમાં રહેવા લાગ્યો. ત્યાંના લોકોએ તેને તેની પત્ની વિશે પૂછપરછ કરી તો તેણે કહ્યું કે, ‘એ મારી બહેન છે.’ ‘રિબકા મારી પત્ની છે એવું કહીશ તો અહીંના લોકો મને મારી નાખશે’ એવી તેને દહેશત હતી. કારણ, તે ઘણી સુંદર હતી. તેઓ ત્યાં આગળ ઘણા દિવસ રહ્યા પછી એવું બન્યું કે પલિસ્તીઓના રાજા અબિમેલેખે બારીમાંથી જોયું તો ઇસ્હાક રિબકાને લાડ લડાવતો હતો. તેથી તેણે ઇસ્હાકને બોલાવીને કહ્યું, “અરે, એ તો તારી પત્ની છે! તો પછી તેં એમ કેમ કહ્યું કે એ મારી બહેન છે?” ઇસ્હાકે કહ્યું, “મેં એવું વિચાર્યું કે એમ કહેવાથી મારે માર્યા જવું પડશે.” અબિમેલેખે કહ્યું, “તેં અમને આ શું કર્યું? મારા લોકમાંથી કોઈ તારી સ્ત્રી સાથે સહેજે સૂઈ જાત અને એમ તું અમારા પર દોષ લાવત.” પછી અબિમેલેખે સર્વ લોકોને તાકીદ કરી: “આ માણસ કે તેની સ્ત્રીને જે કોઈ કનડગત કરશે તેને નિશ્ર્વે મારી નાખવામાં આવશે.” ઇસ્હાકે તે પ્રદેશમાં વાવેતર કર્યું અને તે જ વર્ષે સોગણો પાક ઊતર્યો; કારણ, પ્રભુએ તેને ખૂબ આશિષ આપી. તે સંપત્તિવાન બન્યો અને તેની સંપત્તિ વધતી જ ગઈ અને તે ખૂબ ધનવાન બની ગયો. તેની પાસે એટલાં બધાં ઘેટાંબકરાં, ઢોરઢાંક અને નોકરચાકર થયાં કે પલિસ્તીઓ તેની ઈર્ષ્યા કરવા લાગ્યા. તેના પિતા અબ્રાહામના સમયમાં અબ્રાહામના નોકરોએ ખોદેલા બધા કૂવા પલિસ્તીઓએ માટીથી પૂરી દીધા હતા. અબિમેલેખે ઇસ્હાકને કહ્યું, “તું અમારાથી દૂર ચાલ્યો જા. કારણ, તું અમારા કરતાં વધુ બળવાન થઈ ગયો છે.” આથી ઇસ્હાક ત્યાંથી નીકળી ગયો અને તેણે ગેરારના ખીણપ્રદેશમાં મુકામ કર્યો. ઈસ્હાકે પોતાના પિતા અબ્રાહામના વખતમાં ખોદાયેલા કૂવા ફરી ખોદી કાઢયા; કારણ, અબ્રાહામના મૃત્યુ પછી પલિસ્તીઓએ તે પૂરી દીધા હતા. વળી, તે કૂવાઓનાં જે નામ ઇસ્હાકના પિતાએ પાડયાં હતાં તે જ નામ ઇસ્હાકે પણ પાડયાં. ઇસ્હાકના નોકરોને એ ખીણપ્રદેશમાં ખોદતાં ખોદતાં પાણીનો એક ઝરો મળી આવ્યો. ત્યારે ગેરારના પ્રદેશના ગોવાળિયાઓએ ઇસ્હાકના ગોવાળિયાઓ સાથે ઝઘડો કરીને કહ્યું, “આ પાણી તો અમારું છે.” આથી તેણે તે કૂવાનું નામ એસેક (ઝઘડો) પાડયું. કારણ, તે લોકોએ એની સાથે ઝઘડો કર્યો હતો. પછી તેના માણસોએ બીજો કૂવો ખોદ્યો, ને તે વિષે પણ તેમણે ઝઘડો કર્યો. આથી તેણે તેનું નામ સિટના (દુશ્મનાવટ )પાડયું. પછી તેણે ત્યાંથી દૂર જઈને બીજો કૂવો ખોદ્યો ત્યારે તેને માટે તેમણે ઝઘડો ન કર્યો એટલે તેણે તેનું નામ રહોબોથ (વિશાળ જગ્યા)પાડયું, અને કહ્યું, “પ્રભુએ અમને વિશાળ જગ્યા આપી છે અને આ પ્રદેશમાં અમને સફળતા મળશે.” પછી ઇસ્હાક ત્યાંથી બેરશેબા ગયો. તે જ રાત્રે પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “હું તારા પિતા અબ્રાહામનો ઈશ્વર છું. ગભરાઈશ નહિ, કારણ, હું તારી સાથે છું, મારા સેવક અબ્રાહામની ખાતર હું તને આશિષ આપીશ અને તારા વંશજોની વૃદ્ધિ કરીશ.” તેથી ઇસ્હાકે ત્યાં યજ્ઞવેદી બાંધી અને પ્રભુને નામે તેમનું ભજન કર્યું. ત્યાં તેણે પોતાનો તંબુ માર્યો. ઇસ્હાકના માણસોએ ત્યાં એક કૂવો પણ ખોદ્યો. પછી અબિમેલેખ પોતાના એક મિત્ર અહૂઝાથ અને સેનાપતિ ફિકોલને લઈને ગેરારથી ઇસ્હાકને મળવા ગયો. ઇસ્હાકે તેમને કહ્યું, “તમે તો મને ધિક્કારો છો અને તમારે ત્યાંથી મને કાઢી મૂક્યો છે, તો તમે મારી પાસે શા માટે આવ્યા છો?” તેમણે કહ્યું, “અમને ખાતરી થઈ છે કે પ્રભુ તમારી સાથે છે એટલે અમે વિચાર્યું કે આપણે સોગંદ ખાઈને એકબીજા વચ્ચે કરાર કરીએ કે જેમ અમે તમને કંઈ નુક્સાન કર્યું નથી અને માત્ર તમારું ભલું જ કર્યું છે અને તમને સહીસલામત રીતે વિદાય કર્યા છે તેમ તમે પણ અમને કંઈ નુક્સાન કરશો નહિ. તમે તો પ્રભુથી આશિષ પામેલા છો.” પછી ઇસ્હાકે તેમને માટે જમણ કર્યું અને તેમણે ખાધુંપીધું. સવારમાં વહેલા ઊઠીને તેમણે એકબીજા સાથે સોગંદ લીધા અને તે પછી ઇસ્હાકે તેમને વિદાય કર્યા. આમ, તેઓ મૈત્રીભાવે જુદા પડયા. તે જ દિવસે ઇસ્હાકના નોકરોએ આવીને પોતે ખોદેલા કૂવા સંબંધી તેને વાત કરીને કહ્યું, “અમને પાણી મળ્યું છે.” ઇસ્હાકે તે કૂવાનું નામ શેબા પાડયું. તેથી આજ સુધી એ નગરનું નામ બેરશેબા (અર્થાત્ સમનો કે સાતનો કૂવો) કહેવાય છે. એસાવ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેણે હિત્તી બએરીની પુત્રી યહૂદીથ તથા હિત્તી એલોનની પુત્રી બાસમાથ સાથે લગ્ન કર્યાં. તેમણે ઇસ્હાક અને રિબકાનું જીવન દુ:ખમય બનાવી દીધું. હવે એવું બન્યું કે ઇસ્હાક વૃદ્ધ થયો હતો અને તેની આંખોનું તેજ ઘટી ગયું હોવાથી તે જોઈ શક્તો નહોતો. ત્યારે એક દિવસ તેણે પોતાના મોટા પુત્ર એસાવને બોલાવીને કહ્યું, “મારા દીકરા.” તે બોલ્યો, “હું આ રહ્યો.” ઇસ્હાકે કહ્યું, “હું હવે વૃદ્ધ થયો છું અને મારું મરણ ક્યારે થાય તેની મને ખબર નથી. એટલે, તું તારાં હથિયાર એટલે તારાં બાણનો ભાથો અને ધનુષ્ય લઈને જંગલમાં જા અને મારે માટે કંઈ શિકાર મારી લાવ અને મારે માટે મને ભાવે તેવી સ્વાદિષ્ટ વાનગી બનાવી લાવ, જેથી હું તે ખાઈને મારા મૃત્યુ પહેલાં તને આશિષ આપું.” ઇસ્હાક પોતાના પુત્ર એસાવ સાથે વાત કરતો હતો ત્યારે રિબકાએ પણ તે વાત સાંભળી. પછી એસાવ શિકાર મારી લાવવા જંગલમાં ગયો. ત્યારે રિબકાએ પોતાના પુત્ર યાકોબને કહ્યું, “ મેં તારા પિતાને તારા ભાઈ એસાવને એવું કહેતા સાંભળ્યા છે કે, ‘શિકાર મારી લાવીને મારે માટે સ્વાદિષ્ટ વાનગી બનાવ. જેથી હું તે ખાઈને મારા મૃત્યુ પહેલાં હું તને પ્રભુની સમક્ષતામાં આશિષ આપું.’ એટલે મારા દીકરા, હું તને કહું તે પ્રમાણે કર. ટોળામાં જા ને તેમાંથી મારી પાસે બે સારાં લવારાં લઈ આવ, જેથી તારા પિતાને ભાવે છે તેવી સ્વાદિષ્ટ વાનગી હું બનાવીશ. પછી તું તે તારા પિતા પાસે લઈ જજે, જેથી તે ખાઈને પોતાના મૃત્યુ પહેલાં તે તને આશિષ આપે.” પણ યાકોબે પોતાની માતા રિબકાને કહ્યું, “જુઓ, મારા ભાઈ એસાવને તો આખે શરીરે વાળ છે, જ્યારે મારું શરીર તો સુંવાળું છે. કદાચ મારા પિતા મારા શરીર પર હાથ ફેરવે અને તેમને ખબર પડી જાય કે હું તેમને છેતરું છું તો મને આશિષને બદલે શાપ જ મળે.” તેની માતાએ કહ્યું, “મારા દીકરા, એ શાપ મારે માથે ઊતરો. તું ફક્ત મારું કહ્યું માન. જા, જઈને મને લવારાં લાવી આપ.” તેથી તેણે જઈને તેની માતાને લવારાં લાવી આપ્યાં. તેની માએ તેના પિતાને ભાવતી સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરી. ત્યાર પછી રિબકાએ પોતાની પાસે ઘરમાં રાખી મૂકેલાં પોતાના જયેષ્ઠ પુત્ર એસાવનાં સારામાં સારાં વસ્ત્ર લઈને નાના પુત્ર યાકોબને પહેરાવ્યાં. વળી, તેના હાથ પર તથા તેના ગળાના સુંવાળા ભાગ પર તેણે લવારાંનાં ચામડાં બાંધ્યાં. 5છી પોતે તૈયાર કરેલી સ્વાદિષ્ટ વાનગી તથા રોટલી પોતાના પુત્ર યાકોબના હાથમાં મૂક્યાં. યાકોબે તેના પિતા પાસે જઈને કહ્યું, “પિતાજી!” ઇસ્હાકે પૂછયું, “મારા દીકરા, તું કોણ છે?” યાકોબે પોતાના પિતાને કહ્યું, “હું એસાવ તમારો પ્રથમજનિત પુત્ર છું. મેં તમારા કહેવા પ્રમાણે કર્યું છે. હવે તમે બેઠા થાઓ અને મારો શિકાર ખાઈને મને આશિષ આપો.” ઇસ્હાકે તેને પૂછયું, “મારા દીકરા, તને આટલો જલદી શિકાર કેવી રીતે મળ્યો?” તેણે કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુએ મને તે મેળવી આપ્યો.” પછી ઇસ્હાકે યાકોબને કહ્યું, “મારા દીકરા, મારી પાસે આવ, જેથી હું હાથ ફેલાવીને ખાતરી કરું કે તું મારો પુત્ર એસાવ જ છે કે નહિ.” આથી યાકોબ પોતાના પિતા ઇસ્હાકની નજીક ગયો. ઇસ્હાકે હાથ ફેરવી જોઈને કહ્યું, “અવાજ તો જાણે યાકોબનો છે. પણ હાથ એસાવના છે. તેના હાથ તેના ભાઈ એસાવના હાથ જેવા વાળવાળા હતા એટલે ઇસ્હાક તેને ઓળખી શકયો નહિ; તેથી ઇસ્હાક તેને આશિષ આપવાનો હતો. પણ તેણે પૂછયું, “શું તું ખરેખર મારો પુત્ર એસાવ છે?” યાકોબે જવાબ આપ્યો, “હા, હું તે જ છું.” પછી ઇસ્હાકે કહ્યું, “મારા દીકરા, ભોજન મારી પાસે લાવ કે હું તારો શિકાર ખાઈને તને આશિષ આપું.” એટલે તેણે ઇસ્હાકની આગળ ભોજન મૂકયું અને તેણે ખાધું. પછી તેણે તેને દ્રાક્ષાસવ લાવી આપ્યો અને તે તેણે પીધો. પછી તેના પિતા ઇસ્હાકે તેને કહ્યું, “મારા દીકરા, હવે પાસે આવીને મને ચુંબન કર.” તેથી યાકોબે પાસે જઈને ચુંબન કર્યું. પછી ઇસ્હાકે તેનાં વસ્ત્રો સૂંઘી જોયાં અને તેને આશિષ આપતાં કહ્યું: “પ્રભુએ જેને આશિષ આપી હોય તેવા ખેતરની સુવાસ જેવી મારા પુત્રની સુવાસ છે. ઈશ્વર તારે માટે આકાશમાંથી ઝાકળ વરસાવો; તને પૃથ્વીની ફળદ્રુપ જમીન આપો; વળી, તે તને પુષ્કળ અનાજ અને દ્રાક્ષાસવ આપો. લોકો તારી સેવા કરો, પ્રજાઓ તારી આગળ નમો. તું તારા ભાઈઓનો માલિક થા, અને તારી માતાના પુત્રો તારી આગળ નમો. તને શાપ દેનાર પર શાપ ઊતરો, અને તને આશિષ દેનાર આશિષ પામો.” પછી એવું બન્યું કે ઇસ્હાક યાકોબને આશિષ આપી રહ્યો અને યાકોબ હજી તો હમણાં જ પોતાના પિતા ઇસ્હાક પાસેથી બહાર ગયો કે તેનો ભાઈ એસાવ શિકારેથી પાછો આવ્યો. તેણે ખૂબ સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરી અને પોતાના પિતા પાસે લાવીને તે બોલ્યો, “પિતાજી, ઊઠો, તમારા પુત્રે લાવેલો શિકાર ખાઈ લો અને મને આશિષ આપો.” તેના પિતા ઇસ્હાકે તેને પૂછયું, “તું કોણ છે?” તેણે કહ્યું, “હું તમારો પ્રથમજનિત પુત્ર એસાવ છું.” ત્યારે ઇસ્હાક થરથર ધ્રૂજવા લાગ્યો અને બોલ્યો, “તો પછી તારી પહેલાં મારી પાસે શિકાર મારી લાવ્યો તે કોણ? તારા આવ્યા પહેલાં મેં તેમાંથી ખાધું અને તેને આશિષ આપી, અને તે જરૂર આશિષ પામશે.” પોતાના પિતાના શબ્દો સાંભળીને એસાવ ખૂબ મોટેથી પોક મૂકીને રડયો અને તેના પિતાને કહ્યું, “પિતાજી, મારા પિતાજી, મને પણ આશિષ આપો.” પણ ઇસ્હાકે કહ્યું, “તારો ભાઈ દગો કરીને આશિષ પામી ગયો.” એસાવે તેને કહ્યું, “તમે એનું નામ યાકોબ (એડી પકડનાર) સાચું જ પાડયું છે. કારણ, તેણે મને બે વાર છેતર્યો છે. પ્રથમ તેણે મારો જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક લઈ લીધો અને હવે મને મળનાર આશિષ પણ લઈ લીધી.” વળી, તેણે કહ્યું, “શું તમે મારે માટે કોઈ આશિષ રાખી મૂકી નથી?” ઇસ્હાકે એસાવને જવાબ આપ્યો, “જો મેં તેને તારો માલિક બનાવ્યો છે અને તેના બધા કુટુંબીજનોને તેના સેવકો બનાવ્યા છે. વળી, પોષણને માટે મેં તેને અનાજ અને દ્રાક્ષાસવ આપ્યાં છે. મારા દીકરા, હું હવે તારે માટે શું કરી શકું?” એસાવે પોતાના પિતાને કહ્યું, “પિતાજી, શું તમારી પાસે માત્ર એક જ આશિષ છે? પિતાજી, મારા પિતાજી, મને પણ કંઈક આશિષ આપો.” એમ બોલીને એસાવ પોક મૂકીને રડવા લાગ્યો. ત્યારે તેના પિતા ઇસ્હાકે તેને કહ્યું, “જો, જ્યાં જમીન ફળદ્રુપ ન હોય, અને આકાશમાંથી ઝાકળ વરસતું ન હોય, ત્યાં તું વસશે. તું તારી તલવારને જોરે જીવશે ને તારા ભાઈની સેવા કરશે, પણ તારાથી સહ્યું ન જાય ત્યારે તું તેની ઝૂંસરી તારી ગરદન પરથી ફગાવી દેશે.” યાકોબને તેના પિતાએ જે આશિષ આપી તેને લીધે એસાવે યાકોબનો તિરસ્કાર કર્યો. તેણે પોતાના મનમાં કહ્યું, “મારા પિતાનો મૃત્યુનો દિવસ નજીક છે. એમને માટેના શોકના દિવસ પૂરા થાય તે પછી હું મારા ભાઈ યાકોબને મારી નાખીશ.” પણ રિબકાને એસાવની એ વાતની જાણ થઈ ગઈ. તેથી તેણે યાકોબને બોલાવીને કહ્યું, “જો, તારો ભાઈ એસાવ તને મારી નાખીને તેનો ક્રોધાવેશ શમાવવા માગે છે. તેથી મારા દીકરા, તું હવે મારું કહ્યું માન; તું એકદમ મારા ભાઈ લાબાન પાસે હારાનમાં નાસી જા. તારા ભાઈનો ક્રોધ શમી જાય ત્યાં સુધી થોડા દિવસ તેમની પાસે જ રહે. તારા ભાઈનો ક્રોધ ઊતરી જાય અને તેં જે કર્યું છે તે તે વીસરી જાય ત્યારે હું તને ત્યાંથી બોલાવી લઈશ. મારે તમને બન્‍નેને એક જ દિવસે ગુમાવવા નથી.” રિબકાએ ઇસ્હાકને કહ્યું, “એસાવની હિત્તી પત્નીઓને લીધે હું જિદંગીથી કંટાળી ગઈ છું. જો યાકોબ પણ એમના જેવી જ આ દેશની કોઈ હિત્તી સ્ત્રીની સાથે લગ્ન કરે તો પછી મારે જીવીને શું કામ છે?” તેથી ઇસ્હાકે યાકોબને બોલાવીને તેને આશિષ આપીને આજ્ઞા કરી કે, “તું કોઈ કનાની સ્ત્રી સાથે લગ્ન કરીશ નહિ. તું જલદી તારી માતાના પિતા બથુએલને ત્યાં મેસોપોટેમિયા જા અને તારા મામા લાબાનની પુત્રીઓમાંથી કોઈની સાથે લગ્ન કર. સર્વસમર્થ ઈશ્વર તને આશિષ આપો, તને સંતાનો આપો અને તારા વંશજોની એવી વૃદ્ધિ કરો કે તારામાંથી અનેક કુળો પેદા થાય. ઈશ્વર તને અને તારા વંશજોને અબ્રાહામના જેવી આશિષ આપો; જેથી ઈશ્વરે અબ્રાહામને આપેલો આ દેશ જેમાં તું વસતો ફરે છે તેનો તું કબજો મેળવે!” એમ કહીને ઇસ્હાકે યાકોબને વિદાય કર્યો અને તે અરામી બથુએલના પુત્ર લાબાન એટલે એસાવ અને યાકોબની મા રિબકાના ભાઈને ઘેર મેસોપોટેમિયા ચાલ્યો ગયો. હવે એસાવે જોયું કે ઇસ્હાકે યાકોબને આશિષ આપીને તેને લગ્ન માટે મેસોપોટેમિયા મોકલી આપ્યો છે અને તેને આશિષ આપતી વખતે આજ્ઞા કરી છે કે, ‘તારે કોઈ કનાની સ્ત્રી સાથે લગ્ન કરવાં નહિ,’ અને યાકોબ પોતાનાં માતપિતાની આજ્ઞા માની મેસોપોટેમિયા ગયો છે. તેથી એસાવને ખ્યાલ આવી ગયો કે તેના પિતા ઇસ્હાકને કનાની સ્ત્રીઓ ગમતી નથી. એટલે તે અબ્રાહામના પુત્ર ઇશ્માએલ પાસે ગયો અને પોતાની પત્નીઓ ઉપરાંત ઇશ્માએલની પુત્રી, નબાયોથની બહેન માહાલાથ સાથે લગ્ન કર્યાં. યાકોબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો. તે એક સ્થળે આવી પહોંચ્યો અને રાત ગાળવા ત્યાં જ રોક્યો. કારણ, સૂર્ય આથમી ગયો હતો. તેણે ત્યાંથી એક પથ્થર લઈને માથા નીચે મૂક્યો અને તે ત્યાં જ સૂઈ ગયો. તેને એક સ્વપ્ન આવ્યું: તેણે પૃથ્વી પર ઊભી કરાયેલી એક સીડી જોઈ. તેની ટોચ આકાશ સુધી પહોંચેલી હતી અને ઈશ્વરના દૂતો તેના પર ચડતા ઊતરતા હતા. તેના પર પ્રભુ ઊભેલા હતા. તેમણે કહ્યું, “હું યાહવે, તારા પિતા અબ્રાહામનો અને ઇસ્હાકનો ઈશ્વર છું. તું જે જમીન પર સૂતો છે તે હું તને અને તારા વંશજોને આપીશ. પૃથ્વીની રજકણ જેટલા તારા વંશજો થશે અને તારો વંશ પૂર્વમાં અને પશ્ર્વિમમાં તેમ જ ઉત્તરમાં અને દક્ષિણમાં ફેલાશે અને તારા દ્વારા અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓ આશિષ પામશે. જો, હું તારી સાથે છું, અને તું જ્યાં કહીં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ અને તને આ દેશમાં પાછો લાવીશ. મેં તને જે વચન આપ્યું છે તે પૂરું કર્યા વિના હું તને મૂકી દઈશ નહિ.” ત્યારે યાકોબ ઊંઘમાંથી જાગી ઊઠયો અને બોલ્યો, “પ્રભુ જરૂર આ સ્થળે છે, પણ મને તેની ખબર નહોતી.” તેને બીક લાગી અને તે બોલ્યો, “આ કેવું ભયાનક સ્થળ છે! આ તો ઈશ્વરનું ઘર છે! આ તો સ્વર્ગનું દ્વાર છે!” પછી યાકોબ વહેલી સવારે ઊઠયો અને તેણે જે પથ્થર માથા નીચે મૂક્યો હતો તે લઈને સ્તંભ તરીકે ઊભો કર્યો અને તેના પર તેલ રેડયું. તેણે તે સ્થળનું નામ બેથેલ (ઈશ્વરનું ઘર) પાડયું. અગાઉ એ શહેરનું નામ લુઝ હતું. પછી યાકોબે માનતા લીધી કે, “જો ઈશ્વર મારું રક્ષણ કરશે અને મને ખાવાને અન્‍ન અને પહેરવાને વસ્ત્રો આપશે, ને જો હું સહીસલામત મારા પિતાને ઘેર પાછો આવીશ તો પ્રભુ મારા ઈશ્વર થશે. વળી, આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે ઈશ્વરનું ઘર બનશે. વળી, તે જે કંઈ મને આપશે તે બધાનો દસમો ભાગ હું તેમને અવશ્ય આપીશ!” પછી યાકોબ ત્યાંથી આગળ ચાલ્યો અને અંતે પૂર્વના લોકોના પ્રદેશમાં જઈ પહોંચ્યો. ત્યાં તેણે ખેતરમાં એક કૂવો અને તેની પાસે ઘેટાંનાં ત્રણ ટોળાં બેઠેલાં જોયાં. કારણ, એ કૂવામાંથી ઘેટાંનાં ટોળાંને પાણી પીવડાવવામાં આવતું હતું. કૂવાના મુખ ઉપર એક મોટો પથ્થર હતો. જ્યારે બધાં ટોળાં ત્યાં ભેગાં થતાં ત્યારે ભરવાડો કૂવાના મુખ પરથી પથ્થર ગબડાવીને ઘેટાંને પાણી પીવડાવતા. પછી પથ્થર પાછો કૂવાના મુખ પર તેને સ્થાને ગોઠવી દેતા. યાકોબે તે ભરવાડોને પૂછયું, “ભાઈ, તમે ક્યાંથી આવો છો?” તેમણે કહ્યું, “અમે હારાનના છીએ.” તેણે તેમને પૂછયું, “તમે નાહોરના પુત્ર લાબાનને ઓળખો છો?” તેમણે કહ્યું, “અમે તેને ઓળખીએ છીએ.” તેણે તેમને પૂછયું, “શું તે કુશળ છે?” તેમણે કહ્યું, “હા. જો, પેલી તેની પુત્રી રાહેલ ઘેટાં લઈને આવે.” યાકોબે કહ્યું, “જુઓ, સાંજ પડવાને હજી ઘણી વાર છે અને ઢોર એકઠાં કરવાનો વખત થયો નથી. માટે તમે ઘેટાંને પાણી પીવડાવીને ફરી ચરવા લઈ જાઓ.” પણ તેમણે કહ્યું, “બધાં ટોળાં એકઠાં ન થાય અને પથ્થર ગબડાવવામાં ન આવે ત્યાં સુધી અમે પાણી પીવડાવી શકીએ તેમ નથી. કારણ, બધાં ટોળાં એકઠાં થયા પછી જ અમે ઘેટાંને પાણી પીવડાવીએ છીએ.” યાકોબ હજી તેમની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ પોતાના પિતાનાં ઘેટાં લઈને આવી પહોંચી. કારણ, તે તેમને ચારવાનું કામ કરતી હતી. યાકોબે પોતાના મામા લાબાનની પુત્રી રાહેલને અને મામાનાં ઘેટાંને જોયાં એટલે તેણે કૂવાના મુખ પરથી પથ્થર ગબડાવી દીધો અને પોતાના મામાનાં ઘેટાંને પાણી પીવડાવ્યું. પછી યાકોબે રાહેલને ચુંબન કર્યું અને મોટેથી રડવા લાગ્યો. તેણે રાહેલને કહ્યું, “હું તારા પિતાના સગપણમાં છું અને રિબકાનો પુત્ર છું.” રાહેલે દોડતાં જઈને પોતાના પિતાને વાત કરી. જ્યારે લાબાને પોતાના ભાણેજ યાકોબના સમાચાર સાંભળ્યા ત્યારે તે તેને દોડીને મળવા ગયો અને તેને ભેટીને ચુંબન કર્યું. તે તેને પોતાને ઘેર લઈ ગયો. પછી યાકોબે લાબાનને બધી વાત કરી. ત્યારે લાબાને કહ્યું, “તારી સાથે તો મારે લોહીની સગાઈ છે.” યાકોબ તેને ત્યાં એક માસ રહ્યો. પછી લાબાને યાકોબને કહ્યું, “તું મારો સગો હોવાથી તું મારું કામ મફતમાં કરે તે વાજબી નથી. તેથી તું કેટલું વેતન લઈશ તે કહે.” હવે લાબાનને બે પુત્રીઓ હતી: મોટી પુત્રીનું નામ લેઆહ અને નાની પુત્રીનું નામ રાહેલ. લેઆહની આંખો નબળી હતી, પણ રાહેલ સુડોળ અને સુંદર હતી. વળી, યાકોબ રાહેલના પ્રેમમાં હતો, એટલે તેણે કહ્યું, “હું તમારી નાની પુત્રી રાહેલ સાથે લગ્ન કરવા માટે તમારે ત્યાં સાત વર્ષ કામ કરીશ.” લાબાને કહ્યું, “હું એનાં લગ્ન કોઈ પારકા માણસ સાથે કરાવું તેના કરતાં તારી સાથે કરાવું તે સારું છે. તું મારી સાથે રહે.” તેથી યાકોબે રાહેલ સાથે લગ્ન કરવા માટે સાત વર્ષ કામ કર્યું અને રાહેલ પ્રત્યેના તેના પ્રેમને કારણે તેને એ સાત વર્ષ થોડા દિવસ જેવાં લાગ્યાં. પછી યાકોબે લાબાનને કહ્યું, “મારો ઠરાવેલો સમય પૂરો થયો છે, માટે હવે મને મારી પત્નીની સોંપણી કરો, જેથી હું તેની સાથે દંપતી-જીવન ગાળી શકું.” તેથી લાબાને ગામના બધા લોકોને ભેગા કર્યા અને જમણ કર્યું. પણ સાંજે તેણે પોતાની પુત્રી લેઆહને લાવીને યાકોબને સોંપી અને યાકોબે તેની સાથે સમાગમ કર્યો. લાબાને પોતાની દાસી ઝિલ્પાને પણ લેઆહની દાસી તરીકે આપી. સવારમાં યાકોબે જોયું તો તે લેઆહ હતી. એટલે યાકોબે લાબાનને કહ્યું, “તમે આ શું કર્યું? શું મેં રાહેલને માટે તમારે ત્યાં કામ કર્યું નહોતું? તો તમે મને કેમ છેતર્યો?” લાબાને કહ્યું, “અમારા દેશમાં મોટી દીકરી પહેલાં નાની દીકરીનાં લગ્ન કરાવવાનો રિવાજ નથી. તેથી લગ્નપ્રથા પ્રમાણે તું પહેલાં લેઆહ સાથે એક સપ્તાહ પૂરું કર. પછી જો તું બીજાં સાત વર્ષ મારે ત્યાં કામ કરવા બંધાતો હોય તો હું રાહેલનાં લગ્ન પણ તારી સાથે કરાવીશ.” યાકોબે એ વાત કબૂલ કરી. તેણે લેઆહ સાથે એક સપ્તાહ પૂરું કર્યું, તે પછી લાબાને પોતાની પુત્રી રાહેલનાં લગ્ન પણ તેની સાથે કરાવ્યાં. લાબાને પોતાની દાસી બિલ્હાને પોતાની પુત્રી રાહેલની દાસી તરીકે સોંપી. યાકોબે રાહેલ સાથે પણ સમાગમ કર્યો. તેણે લેઆહ કરતાં રાહેલ પર વિશેષ પ્રેમ કર્યો. તેણે લાબાનને ત્યાં બીજાં સાત વર્ષ કામ કર્યું. પ્રભુએ જોયું કે લેઆહ અણમાનીતી છે ત્યારે તેમણે તેને સંતાન આપ્યાં, પણ રાહેલ નિ:સંતાન રહી. લેઆહ ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. તેણે કહ્યું, “પ્રભુએ મારું દુ:ખ જોયું છે; હવે જરૂર મારા પતિ મારા પર પ્રેમ કરશે.” એટલે તેણે તેનું નામ રૂબેન (જુઓ, પુત્ર) પાડયું. તે ફરી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો; તે બોલી, “હું અણમાનીતી છું એવું પ્રભુએ સાંભળ્યું છે એટલે તેમણે મને બીજો પુત્ર પણ આપ્યો છે.” અને તેણે તેનું નામ શિમયોન (સાંભળ્યું છે) પાડયું. તે ફરી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો; તેણે કહ્યું, “હવે મારા પતિ મારી સાથે ગાઢ સંબંધમાં રહેશે. કારણ, મેં ત્રણ પુત્રોને જન્મ આપ્યો છે.” તેથી તેણે તેનું નામ લેવી (બંધનમાં બંધાવું) પાડયું. તેને ફરી ગર્ભ રહ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો અને તે બોલી, “હવે હું પ્રભુની સ્તુતિ કરીશ.” તેથી તેણે તેનું નામ યહૂદા (સ્તુતિ) પાડયું. એ પછી તેને સંતાન થતાં બંધ થયાં. જ્યારે રાહેલે જોયું કે પોતાને યાકોબથી બાળકો થતાં નથી ત્યારે તેને પોતાની બહેનની ઈર્ષા થઈ અને તેણે યાકોબને કહ્યું, “મને બાળકો આપો, નહિ તો હું મરી જઈશ.” યાકોબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, “હું કંઈ ઈશ્વર છું? તને સંતાનથી વંચિત રાખનાર તો તે છે.” ત્યારે રાહેલે કહ્યું, “તમે મારી આ દાસી બિલ્હા સાથે સમાગમ કરો જેથી તે મારે માટે બાળકોને જન્મ આપે અને એમ તેની મારફતે હું માતા બની શકું.” આથી તેણે પોતાની દાસી બિલ્હાને યાકોબની પત્ની તરીકે સોંપી અને યાકોબે તેની સાથે સમાગમ કર્યો. બિલ્હા ગર્ભવતી થઈ અને તેણે યાકોબથી એક પુત્રને જન્મ આપ્યો. ત્યારે રાહેલ બોલી, “ઈશ્વરે મારો ન્યાય કર્યો છે. તેમણે મારો પોકાર સાંભળ્યો છે અને મને પુત્ર આપ્યો છે.” આથી તેણે તેનું નામ દાન (ન્યાય કર્યો છે) પાડયું. રાહેલની દાસી બિલ્હા ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકોબથી બીજા પુત્રને જન્મ આપ્યો. ત્યારે રાહેલે કહ્યું “મેં મારી બહેન સાથે જબરી બાથ ભીડી છે અને હું જીત પામી છું.” આથી તેણે તેનું નામ નાફતાલી (બાથ ભીડી છે) પાડયું. જ્યારે લેઆહે જોયું કે તેને સંતાન થતાં નથી ત્યારે તેણે પોતાની દાસી ઝિલ્પાને યાકોબની પત્ની થવા સોંપી. પછી લેઆહની દાસી ઝિલ્પાને યાકોબથી એક પુત્ર જન્મ્યો. ત્યારે લેઆહે કહ્યું, “સદ્ભાગ્ય!” માટે તેણે તેનું નામ ગાદ (સદ્ભાગ્ય) પાડયું. લેઆહની દાસી ઝિલ્પાને યાકોબથી બીજો પુત્ર જન્મ્યો. ત્યારે લેઆહ બોલી, “મને ધન્ય છે, હવે સ્ત્રીઓ મને ધન્યવાદ આપશે.” આથી તેણે તેનું નામ આશેર (ધન્ય) પાડયું. ઘઉંની કાપણીની મોસમમાં રૂબેન ખેતરમાં ગયો અને તેને કામોત્તેજક ભોરીંગડાં મળ્યાં. તેણે તે લાવીને પોતાની માતા લેઆહને આપ્યાં. ત્યારે રાહેલે કહ્યું, “તારો દીકરો ભોરીંગડાં લાવ્યો છે તેમાંથી મને થોડાં આપ.” ત્યારે લેઆહે તેને કહ્યું, “તેં મારો પતિ લઈ લીધો છે એ કંઈ ઓછું છે કે મારા દીકરાએ લાવેલાં ભોરીંગડાં પણ તારે લઈ લેવાં છે?” રાહેલે કહ્યું, “તો તારા દીકરાના ભોરીંગડાંના બદલામાં આજે મારા પતિ તારી સાથે સૂઈ જશે.” યાકોબ સાંજે સીમમાંથી પાછો આવ્યો ત્યારે લેઆહ તેને મળવા માટે સામે ગઈ અને તેને કહ્યું, “આજે તમારે મારી સાથે સૂવું પડશે. કારણ, મારા દીકરાએ લાવેલાં ભોરીંગડા આપીને મેં તમને રાખી લીધા છે.” આથી તે રાત્રે યાકોબ તેની સાથે સૂઈ ગયો. ઈશ્વરે લેઆહની વિનંતી સાંભળી અને તે ગર્ભવતી થઈ અને યાકોબથી તેને પાંચમો પુત્ર જન્મ્યો. લેઆહ બોલી, “મેં મારી દાસી મારા પતિને આપી એટલે ઈશ્વરે મને મારો બદલો આપ્યો છે.” આથી તેણે તેનું નામ ઇસ્સાખાર (બદલો) પાડયું. લેઆહ ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકોબથી છઠ્ઠા પુત્રને જન્મ આપ્યો. ત્યારે લેઆહ બોલી, “ઈશ્વરે મને ઉત્તમ ભેટ આપી છે, હવે મારા પતિ મારું સન્માન કરશે; કારણ મેં એમને છ છ પુત્રો આપ્યા છે.” માટે તેણે તેનું નામ ઝબુલૂન (ભેટ) પાડયું. ત્યાર પછી તેણે એક પુત્રીને જન્મ આપ્યો અને તેણે તેનું નામ દીના પાડયું. પછી ઈશ્વરે રાહેલને સંભારી અને તેની વિનંતી માન્ય કરી અને તેનું વંધ્યત્વ દૂર કર્યું. તે ગર્ભવતી થઈ અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે બોલી, “ઈશ્વરે મારું અપમાન દૂર કર્યું છે. હવે પ્રભુ મને બીજો એક દીકરો પણ ઉમેરી આપો.” તેણે તેનું નામ યોસેફ (ઉમેરો કરો) પાડયું. રાહેલે યોસેફને જન્મ આપ્યો ત્યાર પછી યાકોબે લાબાનને કહ્યું, “હવે મને વિદાય કરો કે હું મારા દેશમાં એટલે મારા વતનમાં જાઉં. જેમને લીધે મેં તમારી નોકરી કરી તે મારી પત્નીઓ અને મારાં બાળકો મને સોંપી દો અને મને જવા દો. મેં તમારે ત્યાં કેવી સારી નોકરી કરી છે તે તમે જાણો છો.” પણ લાબાને તેને કહ્યું, “જો તારી રહેમ નજર મારા પર હોય તો તું અહીં જ રહે. કારણ, મેં જોષ જોઈને શોધી કાઢયું છે કે તારે લીધે પ્રભુએ મને આશિષ આપી છે. હવે તારે જે વેતન જોઈએ તે કહે અને હું તને તે આપીશ.” યાકોબે કહ્યું, “તમારે ત્યાં મેં કેવી સારી નોકરી કરી છે તે તમે જાણો છો. *** હું તમારી પાસે આવ્યો તે પહેલાં તમારી પાસે થોડાં જ ઢોર હતાં, પણ હવે તેમાં ધરખમ વધારો થયો છે. જ્યાં જ્યાં મારાં પગલાં પડયાં ત્યાં ત્યાં પ્રભુએ તમને આશિષ બક્ષી છે. પણ હું મારા પોતાના કુટુંબની જોગવાઈ ક્યારે કરીશ?” લાબાને તેને પૂછયું, “હું તને શું આપું?” યાકોબે કહ્યું, “તમે મને કંઈ જ આપશો નહિ. પણ તમે આટલું કરશો તો હું ફરી તમારાં ઘેટાં બકરાં ચરાવીશ અને સાચવીશ. આજે હું તમારાં ઘેટાંબકરાંના બધાં ટોળામાં ફરી વળીશ અને તેમાંથી ચટાપટાવાળાં અને ટપકાંવાળાં બધાં બકરાં તેમજ બધાં કાળાં હલવાન અલગ પાડી દઈશ. એ મારું વેતન થશે. તમે પાછળથી મારા વેતન તરીકે મળેલાં ઘેટાંબકરાંની તપાસ કરવા આવશો ત્યારે મારી પ્રામાણિક્તા પુરવાર થશે. મારી પાસેનાં ઘેટાંબકરાંમાંથી કોઈ બકરું ચટાપટાવાળું કે ટપકાંવળું ન હોય અને કોઈ ઘેટું કાળું ન હોય તો તે ચોરેલું છે તેમ ગણાશે.” લાબાને કહ્યું, “ભલે, તારી વાત મને મંજૂર છે.” પણ તે દિવસે લાબાને ચટાપટાવાળા અને ટપકાંવાળા બધા બકરા, ચટાપટાવાળી અને ટપકાંવાળી બધી બકરીઓ અને બધાં કાળાં ઘેટાં જુદાં પાડી દઈને પોતાના દીકરાઓને સાચવવા સોંપી દીધાં. અને પોતાની અને યાકોબની વચ્ચે ત્રણ દિવસની મુસાફરી જેટલું અંતર રાખ્યું. યાકોબે લાબાનનાં બાકીનાં ઘેટાંબકરાં સંભાળી લીધાં. પછી યાકોબે લીમડાની, બદામની અને ચિનારની લીલી સોટીઓ લીધી અને તેમને છોલીને તેમનો સફેદ ભાગ ખુલ્લો કરી તેમાં સફેદ પટા પાડયા. પછી તેણે એ છોલેલી સોટીઓ ઘેટાંબકરાં જ્યાં પાણી પીવા આવતાં હતાં ત્યાં પાણીના હવાડા આગળ ઘેટાંબકરાંની સામે ઊભી કરી. ઘેટાંબકરાં પાણી પીવા આવે ત્યારે તેઓ સંવનન કરતાં. પેલી સોટીઓ સામે સંવનન કરતાં ગર્ભાધાન થાય એટલે તેમને કાબરચીતરાં, ચટાપટાવાળાં અને ટપકાંવાળાં બચ્ચાં જનમતાં. યાકોબ એવાં ટપકાંવાળાં અને પૂરેપરાં કાળાં બચ્ચાંને જુદાં જ રાખતો. એમ તેણે પોતાનાં ટોળાં જુદાં પાડયાં અને તેમને લાબાનનાં ઘેટાં સાથે ભળવા દીધાં નહિ. જ્યારે જ્યારે ટોળામાંનાં હૃષ્ટપુષ્ટ ઘેટાંબકરાં સંવનન કરતાં ત્યારે તે તેમની સામે પેલા હવાડા આગળ પેલી સોટીઓ મૂક્તો, જેથી એ સોટીઓ સામે તેમનું ગર્ભાધાન થાય. પણ ટોળામાંનાં નબળાં ઘેટાંબકરાં સામે તે હવાડા આગળ સોટીઓ મૂક્તો નહિ. આથી લાબાનનાં ઘેટાંબકરાં નબળાં હતાં, જ્યારે યાકોબનાં હૃષ્ટપુષ્ટ થયાં. આમ, એ માણસ ખૂબ સમૃદ્ધ બની ગયો, અને તેની પાસે ઘેટાંબકરાંનાં મોટાં ટોળાં, દાસદાસીઓ, ઊંટો અને ગધેડાં હતાં. યાકોબે લાબાનના પુત્રોને આવું બોલતા સાંભળ્યા: “યાકોબે આપણા પિતાનું સર્વસ્વ પડાવી લીધું છે. આપણા પિતાની સંપત્તિ દ્વારા જ યાકોબે આ બધી સંપત્તિ સંપાદન કરી છે.” યાકોબે જોયું કે લાબાનનું વર્તન પહેલાંના જેવું મૈત્રીપૂર્ણ રહ્યું નથી. ત્યારે પ્રભુએ તેને કહ્યું, “તારા પિતૃઓના દેશમાં તારાં સગાઓ પાસે પાછો જા. હું તારી સાથે રહીશ.” તેથી યાકોબે જ્યાં તેનાં ટોળાં હતાં તે ખેતરમાં રાહેલ અને લેઆહને પોતાને મળવા બોલાવ્યાં. યાકોબે તેમને કહ્યું, “તમારા પિતાનું મારા પ્રત્યેનું વર્તન પહેલાંના જેવું મૈત્રીપૂર્ણ રહ્યું નથી; પણ મારા પિતાના ઈશ્વર મારી સાથે રહ્યા છે. તમે બન્‍ને જાણો છો કે તમારા પિતાના બધા કામમાં મેં મારી બધી શક્તિ ખર્ચી નાખી છે. છતાં તેમણે મને છેતર્યો છે અને દસ દસવાર મારું વેતન બદલી નાખ્યું છે. પણ એમાં ઈશ્વરે મને નુક્સાન થવા દીધું નથી. જ્યારે તે એમ કહેતા કે, ‘ટપકાંવાળાં બકરાં તને વેતન પેટે મળશે,’ ત્યારે બધાં જ બચ્ચાં ટપકાંવાળાં જનમતાં અને જ્યારે તે એમ કહેતા કે, ‘ચટાપટાવાળાં બકરાં તને વેતન પેટે મળશે,’ ત્યારે બધાં જ બચ્ચાં ચટાપટાવાળાં જનમતાં. આમ, ઈશ્વરે તમારા પિતાનાં ટોળાં ખૂંચવી લઈને મને આપ્યાં. “પ્રાણીઓના સંવનનની મોસમમાં મને સ્વપ્ન આવ્યું હતું. તેમાં મેં જોયું તો સંવનન કરનાર બકરા ચટાપટાવાળા, ટપકાંવાળા અને કાબરચીતરા હતા. ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકોબ!’ મેં જવાબ આપ્યો, ‘હું આ રહ્યો!’ તેણે કહ્યું, ‘જો, સંવનન કરનાર બધા બકરા ચટાપટાવાળા, ટપકાવાળા અને કાબરચીતરા છે. કારણ, મેં તારા પ્રત્યેનું લાબાનનું વર્તન જોયું છે. જ્યાં તેં સ્મારક સ્તંભનો તેલથી અભિષેક કર્યો હતો અને મારી આગળ માનતા લીધી હતી તે બેથેલમાં તને દર્શન દેનાર ઈશ્વર હું છું. તેથી હવે તું આ પ્રદેશ છોડીને તારી જન્મભૂમિમાં પાછો જવા તૈયાર થા.” રાહેલ અને લેઆહે યાકોબને જવાબ આપ્યો, “અમારે અમારા પિતા પાસેથી વારસામાં મેળવવાનું કયાં કંઈ બાકી રહ્યું છે? અમે તો જાણે પરદેશી હોઈએ એવો વ્યવહાર તે અમારા પ્રત્યે દાખવે છે. તેમણે અમને વેચી દઈને એના બદલામાં મળેલી બધી સંપત્તિનો ઉપભોગ તે જ કરે છે. અમારા પિતા પાસેથી ઈશ્વરે લઈ લીધેલી આ બધી સંપત્તિ હવે આપણી અને આપણાં સંતાનોની છે. માટે ઈશ્વરે તમને જે કહ્યું હોય તે પ્રમાણે કરો.” તેથી યાકોબ પોતાના પિતા ઇસ્હાક પાસે કનાન દેશમાં પાછો જવા તૈયાર થયો. તેણે પોતાનાં બાળકો અને પત્નીઓને ઊંટો પર બેસાડયાં. વળી, મેસોપોટેમિયામાં મેળવેલું બધું પશુધન એટલે સર્વ ઢોરઢાંક પોતાની આગળ હાંકીને તે ચાલી નીકળ્યો. *** લાબાન પોતાનાં ઘેટાંનું ઊન ઉતારવા ગયો હતો. રાહેલે તેના પિતાની ગેરહાજરીમાં તેના કુટુંબની દેવમૂર્તિઓ ચોરી લીધી. યાકોબ અરામી લાબાનને ખબર આપ્યા વિના જ ત્યાંથી છાનોમાનો ભાગી છૂટયો. તે પોતાની માલિકીનું સર્વસ્વ લઈને ઉતાવળે નાસી ગયો. યુફ્રેટિસ નદી પાર કરીને તે ગિલ્યાદના પહાડીપ્રદેશ તરફ ગયો. ત્રીજે દિવસે લાબાનને ખબર પડી કે યાકોબ નાસી ગયો છે, ત્યારે પોતાના સંબંધીઓને લઈને સાત દિવસ સુધી તેણે યાકોબનો પીછો કર્યો અને તેને ગિલ્યાદના પહાડી પ્રદેશમાં પકડી પાડયો. તે રાત્રે ઈશ્વરે અરામી લાબાન પાસે સ્વપ્નમાં આવીને કહ્યું, “તું યાકોબને ભલુંભૂંડું કંઈ કહીશ નહિ.” યાકોબે પહાડીપ્રદેશમાં જયાં પોતાનો પડાવ નાખ્યો હતો ત્યાં લાબાન પહોંચી ગયો અને લાબાને પણ પોતાના સંબંધીઓ સહિત ગિલ્યાદના એ પહાડીપ્રદેશમાં પડાવ નાખ્યો. લાબાને યાકોબને કહ્યું, “તેં શા માટે મને છેતર્યો છે? યુદ્ધમાં પકડી જવામાં આવેલી સ્ત્રીઓની જેમ તું શા માટે મારી પુત્રીઓને ઉઠાવી લાવ્યો છે? શા માટે તું મને છેતરીને છાનોમાનો નાસી આવ્યો? જો તેં મને કહ્યું હોત તો હું તને ગીતો તથા ખંજરી અને વીણાના વાદન સાથે આનંદપૂર્વક ન વળાવત? વળી, તેં મને મારાં પૌત્રપૌત્રીઓ અને પુત્રીઓને વિદાયનું ચુંબન પણ કરવા દીધું નથી. આમાં તેં મૂર્ખાઈ કરી છે! હું તને નુક્સાન પહોંચાડી શકું તેમ છું. પરંતુ ગઈકાલે રાત્રે તારા પિતાના ઈશ્વરે મને ચેતવણી આપી કે મારે તને ભલુંભૂંડું કંઈ કહેવું નહિ. તારા પિતાને ઘેર પાછા જવાની તારી તાલાવેલીને કારણે તું નાસી છૂટયો છે; પણ તેં મારા કુટુંબની મૂર્તિઓ કેમ ચોરી લીધી છે?” યાકોબે જવાબ આપ્યો, “મને ડર હતો: કારણ, મેં એવું ધાર્યું હતું કે તમે બળજબરીથી તમારી દીકરીઓને મારી પાસેથી પાછી લઈ લેશો. તો હવે અહીં જેની પાસેથી તમારા દેવો મળે તે માર્યું જાય. આપણા સંબંધીઓને સાક્ષીમાં રાખીને તમારું જે કંઈ હોય તે ઓળખીને લઈ જાઓ.” યાકોબને ખબર નહોતી કે રાહેલે લાબાનની દેવમૂર્તિઓ ચોરી લીધી હતી. લાબાને યાકોબના, લેઆહના અને બે દાસીઓના તંબુઓમાં જઈને તપાસ કરી, પણ તેને દેવમૂર્તિઓ મળી નહિ. પછી તે રાહેલના તંબૂમાં ગયો. રાહેલે કુટુંબની દેવમૂર્તિઓ લઈને ઊંટ પર લાદેલા સામાનમાં મૂકી દીધી હતી અને તેના પર તે બેઠી હતી. લાબાને તેના આખા તંબુની તપાસ કરી પણ તેને દેવમૂર્તિઓ મળી નહિ. રાહેલે પોતાના પિતાને કહ્યું, “મુરબ્બી, મારા પર ગુસ્સે ન થશો. હું તમારી આગળ ઊભી થઈ શકું તેમ નથી. કારણ, હું રજોદર્શનના સમયમાં છું.” આમ, લાબાને શોધ કરી પણ તેને કુટુંબની દેવમૂર્તિઓ મળી નહિ. આથી યાકોબને ક્રોધ ચઢયો. તેણે લાબાનને ધમકાવી નાખતાં કહ્યું, “મારો શો વાંક છે? મેં તમારો શો ગુનો કર્યો છે કે તમે આ રીતે મારી પાછળ પડયા છો? તમે મારી સર્વ મિલક્ત તપાસી જોઈ છે. હવે તમારા ઘરની તમારી માલિકીની કઈ વસ્તુ તમને મળી આવી તે બતાવો અને એને તમારા અને મારા માણસો સમક્ષ અહીં રજૂ કરો, જેથી આપણામાંથી કોણ સાચું છે તેનો નિર્ણય તેઓ કરે. હું તમારી સાથે વીસ વર્ષ રહ્યો તે દરમ્યાન તમારી ઘેટીઓ કે બકરીઓને ક્સમયી ગર્ભપાત થયો નથી. અથવા હું તમારા ટોળાંમાંથી એક પણ ઘેટો ખાઈ ગયો નથી. કોઈ હિંસક પશુ તમારું પ્રાણી ફાડી ખાય ત્યારે મેં તેના અવશેષ તમારી આગળ રજૂ કર્યા નથી, પણ એની ખોટ મેં જાતે ભોગવી છે. દિવસે કે રાત્રે કંઈ ચોરાયું હોય તો તમે તે મારી પાસેથી વસૂલ કર્યું છે. મેં દિવસે ગરમી અને રાત્રે ઠંડી વેઠી છે અને મારી ઊંઘ પણ જતી કરી હતી. એવી રીતે મેં તમારી સાથે વીસ વર્ષ ગાળ્યાં. તમારી બે પુત્રીઓ મેળવવા મેં ચૌદ વર્ષ કામ કર્યું અને ટોળાં મેળવવા છ વર્ષ કામ કર્યું. છતાં દસ દસ વાર તમે મારું વેતન બદલી નાખ્યું હતું. જો મારા પિતાના ઈશ્વર, એટલે અબ્રાહામના ઈશ્વર તથા ઇસ્હાકના આરાધ્ય ઈશ્વર મારી સાથે ન હોત તો તમે મને ક્યારનોય ખાલી હાથે કાઢી મૂક્યો હોત. પરંતુ ઈશ્વરે મારાં દુ:ખ અને મહેનત જોયાં છે અને ગઈ કાલે રાત્રે તેમણે તમને ઠપકો આપ્યો છે.” લાબાને યાકોબને જવાબ આપ્યો, “આ દીકરીઓ તો મારી દીકરીઓ છે, આ તેમનાં બાળકો તે મારાં બાળકો છે, અને આ ટોળાં પણ મારાં છે. હકીક્તમાં, તું અહીં જુએ છે તે બધું મારું જ છે. પરંતુ મારી દીકરીઓ અને તેમનાં બાળકોને મારી પાસે જ રાખી લેવા હું કંઈ કરી શકું તેમ નથી. તો ચાલ, આપણે કરાર કરીએ અને એ તારી અને મારી વચ્ચે સાક્ષીરૂપ બની રહેશે.” તેથી યાકોબે એક પથ્થર લઈને તેને સ્મારકસ્તંભ તરીકે ઊભો કર્યો. તેણે પોતાના સંબંધીજનોને પથ્થરો લાવીને ઢગલો કરવા કહ્યું એટલે તેમણે પથ્થરનો ઢગલો કર્યો. પછી તેમણે પથ્થરના ઢગલા પાસે ભોજન લીધું. લાબાને તેનું નામ ‘યગાર-સહાદૂથા (સાક્ષીનો ઢગલો) પાડયું, જ્યારે યાકોબે તેનું નામ ‘ગાલએદ’ (સાક્ષીનો ઢગલો) પાડયું. લાબાને યાકોબને કહ્યું, “આ પથ્થરોનો ઢગલો આપણી બન્‍નેની વચમાં સાક્ષીરૂપ રહેશે.” તેથી તે સ્થળનું નામ ગાલએદ પડયું. વળી લાબાને કહ્યું, “જ્યારે આપણે એકબીજાથી છૂટા પડીએ છીએ ત્યારે પ્રભુ આપણા પર ચોક્સાઈ રાખો. તેથી તે સ્થળનું નામ તેણે ‘મિસ્પા’ (ચોકીનો બૂરજ) પણ પાડયું. લાબાને કહ્યું, “જો તું મારી પુત્રીઓ પ્રત્યે ખરાબ વર્તન રાખીશ અથવા તું બીજી પત્નીઓ કરીશ તો મને કંઈ તેની ખબર પડવાની નથી, પણ યાદ રાખજે ઈશ્વર આપણા પર નજર રાખે છે. અહીં આપણી વચમાં મેં પથ્થરોનો ઢગલો કર્યો છે અને અહીં આ સ્મારકસ્તંભ પણ છે. આ ઢગલો અને આ સ્મારકસ્તંભ આપણે માટે સાક્ષીરૂપ છે. હું તને નુક્સાન પહોંચાડવા કદી આ ઢગલાની પેલી તરફ આવીશ નહિ અને તારે પણ મને નુક્સાન પહોંચાડવા આ ઢગલાની કે સ્મારકસ્તંભની આ તરફ આવવું નહિ. અબ્રાહામના ઈશ્વર, તથા નાહોરના ઈશ્વર એટલે, તેમના પિતૃઓના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” ત્યારે યાકોબે તેના પિતા ઇસ્હાકના આરાધ્ય ઈશ્વરના નામે સોગંદ ખાધા. પર્વત પર બલિદાન ચડાવ્યું અને પોતાના સંબંધીઓને ભોજન માટે નિમંત્રણ આપ્યું. પછી તેઓ આખી રાત પર્વત પર જ રોકાયા. બીજે દિવસે વહેલી સવારે લાબાને પોતાની પુત્રીઓ અને તેમનાં સંતાનોને ચુંબન કર્યું, તેમને આશિષ આપી અને પછી તેણે તેમની વિદાય લીધી. પછી યાકોબ પોતાના રસ્તે ચાલતો થયો, અને તેને ઈશ્વરના દૂતો સામા મળ્યા. તેમને જોઈને યાકોબે કહ્યું, “આ તો ઈશ્વરનું સૈન્ય છે!” તેથી તેણે તે જગાનું નામ માહનાઇમ (બે છાવણી) પાડયું. પછી યાકોબે અદોમ દેશના સેઈર પ્રદેશમાં પોતાના ભાઈ એસાવ પાસે પોતાની આગળ સંદેશકો મોકલ્યા. તેણે તેમને આવી સૂચના આપી: “તમે મારા મુરબ્બી એસાવને એમ કહેજો કે તમારો સેવક યાકોબ કહેવડાવે છે કે હું લાબાનને ત્યાં ગયો હતો અને અત્યાર સુધી ત્યાં રહ્યો હતો. મારી પાસે ગધેડાં, ઢોરઢાંક, ઘેટાંબકરાં તથા દાસદાસીઓ છે. મેં મારા મુરબ્બીને અગાઉથી એટલા માટે ખબર મોકલાવી છે કે જેથી હું તમારી રહેમનજર પ્રાપ્ત કરું.” સંદેશકોએ યાકોબની પાસે પાછા આવીને કહ્યું, “અમે તમારા ભાઈ એસાવ પાસે જઈ આવ્યા. તે તમને મળવા આવે છે અને તેમની સાથે ચારસો માણસો છે.” એ સાંભળીને યાકોબને ખૂબ બીક લાગી અને તે ભારે ચિંતાતુર થઈ ગયો. આથી તેણે પોતાની સાથેના માણસોને તેમ જ ઢોરઢાંક, ઘેટાંબકરાં અને ઊંટોને બે જૂથમાં વહેંચી નાખ્યાં. તેણે ધાર્યું કે એસાવ આવીને એક જૂથ પર હુમલો કરે તો બાકીનું જૂથ બચી જાય. તે બોલ્યો, “હે પ્રભુ, મારા પૂર્વજ અબ્રાહામના ઈશ્વર તથા મારા પિતા ઇસ્હાકના ઈશ્વર, તમે જ મને કહ્યું હતું કે, ‘તું તારા વતનમાં તારા લોકની પાસે પાછો જા, અને હું તારું ભલું કરીશ. તમે તમારા આ સેવક પ્રત્યે જે એકધારો પ્રેમ અને નિષ્ઠા બતાવ્યાં છે તેને માટે હું લાયક નથી. કારણ, માત્ર મારી લાકડી લઈને મેં આ નદી ઓળંગી હતી. પણ આજે મારી પાસે આ બે જૂથ છે. મને મારા ભાઈ એસાવના હાથમાંથી બચાવો, કારણ, મને તેની બીક લાગે છે. કદાચ, તે આવીને મને તેમ જ મારી પત્નીઓ અને બાળકોને પણ મારી નાખે. પણ તમે તો મને વચન આપ્યું હતું કે, હું તારું ભલું કરીશ અને તારાં વંશજો દરિયાની રેતી જેટલાં બનાવીશ કે જેને કોઈ ગણી શકે નહિ.” તે રાત્રે તેણે ત્યાં જ વાસો કર્યો. પછી તેણે પોતાની પાસે જે હતું તેમાંથી પોતાના ભાઈ એસાવ માટે ભેટ પસંદ કરી: બસો બકરીઓ, વીસ બકરા, બસો ઘેટીઓ અને વીસ ઘેટાં, ત્રીસ દૂધ આપતી ઊંટડીઓ અને તેમનાં બચ્ચાં, ચાલીસ ગાયો અને દસ આખલા, વીસ ગધેડીઓ અને દસ ગધેડા. તેણે આ બધાનાં જુદાં જુદાં ટોળાં બનાવીને પોતાના નોકરોને સોંપ્યાં અને કહ્યું, “તમે મારી આગળ આગળ ચાલો, અને ટોળાની વચમાં અંતર રાખજો.” તેણે સૌથી આગળના નોકરને કહ્યું, “જો મારો ભાઈ એસાવ તને મળે અને પૂછે કે, ‘તમે કોના માણસો છો? કયાં જાઓ છો? તમારી આગળ આ કોનાં ઢોર છે?’ ત્યારે તમે કહેજો કે, ‘એ તો તમારા સેવક યાકોબનાં છે અને અમારા મુરબ્બી એસાવને ભેટમાં મોકલ્યાં છે. તે પોતે અમારી પાછળ જ આવે છે.” એ રીતે તેણે ઢોરનાં ટોળાં પાછળ ચાલતા બીજા માણસને, ત્રીજા માણસને અને બીજા બધા માણસોને સૂચના આપી કે, તમે એસાવને મળો ત્યારે આ જ પ્રમાણે કહેજો. તેને કહેજો કે તમારો સેવક યાકોબ પોતે અમારી પાછળ જ આવે છે. તેણે એમ વિચાર્યું કે મારી આગળ જતી આ ભેટ દ્વારા હું તેને શાંત પાડીશ અને પછી તેને રૂબરૂ મળીશ. કદાચ, તે મારો સ્વીકાર કરશે. આમ ભેટ તેની આગળ ગઈ અને પોતે તે રાત્રે છાવણીમાં રહ્યો. તે રાત્રે ઊઠયો અને પોતાની બે પત્નીઓ, બે દાસીઓ અને અગિયાર બાળકોને લઈને યાબ્બોક નદી પાર કરી. તેણે પોતાની પત્નીઓ અને બાળકો તથા બધી માલમતાને નદીને પેલે પાર મોકલી આપ્યાં. આમ, યાકોબ એકલો પાછળ રહી ગયો અને સૂર્યોદય થયો ત્યાં સુધી એક પુરુષે તેની સાથે કુસ્તી કરી. જ્યારે પેલા પુરુષે જોયું કે તે પોતે યાકોબને હરાવી શક્તો નથી ત્યારે તે તેની જાંઘના સાંધાને અડકયો, એટલે તેની સાથે કુસ્તી કરતી વખતે યાકોબની જાંઘનો સાંધો ઊતરી ગયો. પેલા માણસે કહ્યું, “સવાર થવા આવ્યું છે એટલે મને જવા દે.” પણ યાકોબે કહ્યું, “મને આશિષ આપો, નહિ તો હું તમને જવા દેવાનો નથી.” એટલે, પેલા પુરુષે પૂછયું, “તારું નામ શું છે?” કહ્યું. “યાકોબ” ત્યારે તેણે કહ્યું, “હવે તારું નામ યાકોબ નહિ, પણ ઇઝરાયલ (ઈશ્વર સાથે જંગ ખેલનાર) કહેવાશે. કારણ, ઈશ્વરની તથા માણસોની સાથે યુદ્ધ કરીને તું જીત્યો છે.” યાકોબે કહ્યું, “કૃપા કરીને મને તમારું નામ કહો.” પણ તેણે કહ્યું, “તું મારું નામ શા માટે પૂછે છે?” પછી તેણે યાકોબને આશિષ આપી. યાકોબે કહ્યું, “મેં ઈશ્વરને પ્રત્યક્ષ જોયા છે, તોપણ મારો જીવ બચ્યો છે.” આથી તેણે એ સ્થળનું નામ ‘પનીએલ’ (ઈશ્વરનું મુખ) પાડયું. યાકોબ પનુએલથી જતો હતો એવામાં સૂર્ય ઊગ્યો. તેની જાંઘનો સાંધો ઊતરી ગયો હોવાથી તે લંગડાતો લંગડાતો ચાલ્યો. પેલા પુરુષે યાકોબની જાંઘના સાંધાને સ્પર્શ કર્યો હતો તેથી ઇઝરાયલીઓ આજ સુધી જાંઘના સાંધાનો સ્નાયુ ખાતા નથી. યાકોબે સામે જોયું તો એસાવ તેના ચારસો માણસો સાથે આવતો હતો. તેથી યાકોબે લેઆહ, રાહેલ અને બે દાસીઓ વચ્ચે બાળકો વહેંચી દીધાં. પછી તેણે દાસીઓને અને તેમનાં બાળકોને સૌથી આગળ રાખ્યાં. અને પછી લેઆહ તથા તેનાં બાળકોને અને છેલ્લે રાહેલ તથા યોસેફને રાખ્યાં. તે પોતે તેમની આગળ ચાલ્યો, અને પોતાના ભાઈની પાસે પહોંચતા સુધીમાં તો તેણે તેને સાત વાર ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યા. પણ એસાવ તેને મળવા દોડયો, ને તેને ભેટી પડયો ને તેને ગળે વળગીને ચુંબન કર્યું, અને બન્‍ને ભાઈઓ રડયા. એસાવે સામે નજર કરી તો સ્ત્રીઓ તથા બાળકોને જોયાં. ત્યારે તેણે પૂછયું, “આ તારી સાથે કોણ છે?” યાકોબે કહ્યું, “એ તો ઈશ્વરે કૃપા કરીને તમારા સેવકને આપેલાં બાળકો છે.” પછી દાસીઓ તથા તેમનાં બાળકોએ નજીક આવીને એસાવને નમીને પ્રણામ કર્યા. એ જ રીતે લેઆહ તથા તેનાં બાળકો અને છેલ્લે યોસેફ તથા રાહેલ નજીક આવ્યાં અને તેને નમીને પ્રણામ કર્યા. એસાવે યાકોબને પૂછયું, “આ જે બધાં ટોળાં મને સામાં મળ્યાં તેનો શો અર્થ છે?” યાકોબે જવાબ આપ્યો, “એ તો મારા મુરબ્બીની રહેમનજર મેળવવા માટે છે.” પણ એસાવે કહ્યું, “મારા ભાઈ, મારી પાસે પૂરતું છે, તારું જે છે તે તું તારી પાસે રાખ.” યાકોબે કહ્યું, “ના, મારા પર તમારી રહેમનજર થઈ હોય તો મારી આટલી ભેટ સ્વીકારો એવી મારી વિનંતી છે. કારણ, તમારું મુખ જોવું એ જાણે ઈશ્વરનું મુખ જોવા બરાબર છે. છતાં તમે પૂરા સદ્ભાવે મારો સ્વીકાર કર્યો છે. કૃપા કરીને આ ભેટનો સ્વીકાર કરો. કારણ, ઈશ્વરે મારા પર કૃપા કરી છે અને મારી પાસે પુષ્કળ ઢોરઢાંક છે.” એ રીતે તેણે એસાવને ખૂબ આગ્રહ કર્યો, જેથી તેણે તે ભેટ સ્વીકારી. પછી એસાવ બોલ્યો, “ચાલો, હવે આપણે જઈએ અને હું તારી સાથે આવીશ.” પણ યાકોબે કહ્યું, “મારા મુરબ્બી, તમે જાણો છો કે બાળકો કુમળાં છે અને મારી પાસે ધાવણાં બચ્ચાંવાળાં ઘેટાંબકરાં અને ઢોર છે. જો તેમને એક દિવસ પણ વધારે ઝડપથી હાંકીએ તો બધાં જાનવર મરી જાય. માટે મારા મુરબ્બી, તમે તમારા સેવક કરતાં આગળ જાઓ અને હું મારી આગળનાં જાનવરો અને બાળકોની ચાલવાની ઝડપ પ્રમાણે ધીમે ધીમે આવીશ અને તમને સેઈરમાં આવીને મળીશ.” એટલે એસાવે કહ્યું, “તો હું મારા માણસોમાંથી થોડા તારી સાથે રહેવા દઉં?” પણ યાકોબે કહ્યું, “શા માટે? હું તમારી રહેમનજર પામ્યો એટલું જ બસ છે.” તેથી તે દિવસે એસાવ સેઈર જવા ઉપડયો. પણ યાકોબ ચાલતો ચાલતો સુક્કોથ આવ્યો અને ત્યાં તેણે પોતાને માટે એક ઘર બાંધ્યું અને ઢોરને માટે માંડવા બનાવ્યા. આથી તે સ્થળનું નામ સુક્કોથ (માંડવા) પડયું. આમ, યાકોબ મેસોપોટેમિયામાંથી નીકળીને કનાન દેશમાં આવેલા શખેમ શહેર સુધી સહીસલામત આવ્યો અને તેણે શહેર આગળ પડાવ નાખ્યો. તેણે જે જમીન પર તંબુ તાણ્યો હતો તે તેણે શખેમના પિતા હામોરના પુત્રો પાસેથી ચાંદીના સો સિક્કા આપીને ખરીદી લીધી. ત્યાં તેણે એક વેદી બાંધી ને તેનું નામ એલ- એલોહે- ઇઝરાયલ (ઈશ્વર, ઇઝરાયલનો ઈશ્વર) પાડયું. યાકોબ અને લેઆહની પુત્રી દીના તે દેશની સ્ત્રીઓને મળવા નીકળી. તે દેશના સરદાર હમોર હિવ્વીના પુત્ર શખેમે તેને જોઈ એટલે તેને પકડી લઈને તેના પર બળાત્કાર કર્યો. પણ તેનું દિલ યાકોબની પુત્રી દીના પર ચોંટયું હતું અને તે તેના પ્રેમમાં પડયો હતો તેથી તે તેની સાથે હેતથી વાતો કરવા લાગ્યો. તેણે પોતાના પિતા હમોરને કહ્યું, “આ છોકરી સાથે મારું લગ્ન કરાવો.” યાકોબે સાંભળ્યું કે શખેમે તેની પુત્રી દીનાની આબરૂ લીધી છે, પણ તેના પુત્રો ખેતરમાં ઢોર સાચવતા હતા એટલે તેઓ આવ્યા ત્યાં સુધી યાકોબ ચૂપ રહ્યો. શખેમનો પિતા હમોર યાકોબ સાથે વાત કરવા ગયો એવામાં યાકોબના પુત્રો એ વાત સાંભળીને ખેતરેથી ઘેર આવ્યા; તેમને આઘાત લાગ્યો હતો અને ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. કારણ, શખેમે યાકોબની પુત્રી પર બળાત્કારનું અઘટિત કામ કરીને ઇઝરાયલના કુટુંબને મોટું કલંક લગાડયું હતું. પણ હમોરે તેમની સાથે વાત કરીને કહ્યું, “ મારો પુત્ર શખેમ તમારી પુત્રી પર પ્રેમ કરે છે, તેથી તમે તેની સાથે તમારી પુત્રીનાં લગ્ન કરાવો. વળી, તમે અમારી સાથે લગ્નસંબંધ બાંધો, તમારી દીકરીઓ અમને આપો અને અમારી દીકરીઓ સાથે તમે લગ્ન કરો. એમ તમે અમારી સાથે વસવાટ કરો. આ દેશ તમારે માટે ખુલ્લો છે; અહીં રહો, વેપાર કરો અને સંપત્તિવાન બનો.” પછી શખેમે દીનાના પિતા અને ભાઈઓને કહ્યું, “તમે મારા પર કૃપા કરો અને તમે જે માગશો તે હું આપીશ. તમારે જોઈએ તેટલું પલ્લું અને ભેટ સોગાદો માગો અને હું તમારા કહ્યા પ્રમાણે તે આપીશ. પણ એ છોકરીનાં લગ્ન મારી સાથે કરાવો.” પણ શખેમે યાકોબના પુત્રોની બહેન દીનાની આબરૂ લીધી હતી, એટલે તેમણે શખેમને તથા તેના પિતા હમોરને કપટથી જવાબ આપ્યો. તેમણે કહ્યું, “અમે સુન્‍નતરહિત પુરુષ સાથે અમારી બહેનનાં લગ્ન કરાવી શક્તા નથી. કારણ, એમ કરવાથી તો અમને કલંક લાગે. એક જ શરતે અમે તમારી વાત માન્ય રાખીએ કે તમે તમારામાંના એકેએક પુરુષની સુન્‍નત કરાવો અને અમારા જેવા બની જાઓ; તો જ અમે અમારી દીકરીઓ તમને આપીએ અને તમારી દીકરીઓ અમે લઈએ તથા અમે તમારી સાથે રહીએ અને આપણે એક પ્રજા બની જઈએ. પણ જો તમે અમારી વાત ન સાંભળો અને સુન્‍નત ન કરાવો તો અમે અમારી પુત્રીને લઈને ચાલ્યા જઈશું.” હમોર અને તેના પુત્ર શખેમને તેમની વાત યોગ્ય લાગી. તે જુવાને તો વિના વિલંબે પોતાની સુન્‍નત કરાવી દીધી. કારણ, તે યાકોબની પુત્રીને ખૂબ ચાહતો હતો. વળી, તે તેના પિતાના કુટુંબમાં પણ સૌથી માનીતો હતો. પછી હમોર અને તેનો પુત્ર શખેમ શહેરના પ્રવેશદ્વારે આવ્યા અને લોકોની સાથે વાતચીત કરીને કહ્યું, “આ માણસો આપણી સાથે સંપથી રહે છે તો ભલે તેઓ અહીં રહે અને વેપાર રોજગાર કરે, કારણ, તેમની આગળ વિશાળ દેશ પડયો છે. આપણે તેમની દીકરીઓ સાથે લગ્ન કરીએ અને આપણી દીકરીઓ તેમને આપીએ. એ લોકો આપણી સાથે રહેવા અને એક પ્રજા બનવા તૈયાર છે. પરંતુ તેમની એક શરત છે કે તેમની જેમ આપણામાંના દરેક પુરુષની સુન્‍નત કરવામાં આવે. જો આપણે તેમની વાત કબૂલ રાખીએ અને તેમને આપણી સાથે રહેવા દઈએ તો તેમનાં ઢોરઢાંક, સંપત્તિ અને બધાં પશુઓ શું આપણી માલિકીનાં નહિ થઈ જાય?” શહેરના બધા આગેવાનોએ હમોર અને તેના પુત્રની વાત માની અને શહેરના પ્રવેશદ્વારમાં થઈને પસાર થનાર બધા પુરુષોની સુન્‍નત કરવામાં આવી. ત્રીજે દિવસે તેઓ પીડાતા હતા ત્યારે યાકોબના બે પુત્રો શિમયોન અને લેવી, જે દીનાના સગા ભાઈઓ હતા, તેઓ તલવાર લઈને શહેર પર ઓચિંતા ચડી આવ્યા અને તેમણે બધા પુરુષોની ક્તલ કરી નાખી. તેમણે હમોરને અને તેના પુત્ર શખેમને પણ તલવારથી મારી નાખ્યા અને શખેમના ઘરમાંથી દીનાને લઈને ચાલ્યા ગયા. વળી, યાકોબના બીજા દીકરાઓએ મૃતદેહો ખૂંદતાં-ખૂંદતાં નગરમાં લૂંટ ચલાવી; કારણ, તેમની બહેનને ભ્રષ્ટ કરવામાં આવી હતી. તેમણે એ લોકોનાં ઘેટાંબકરાં, ઢોરઢાંક અને ગધેડાં તેમ જ શહેર અને ખેતરમાં જે કંઈ હતું તે બધું લઈ લીધું. તેમની બધી સંપત્તિ, બાળકો અને સ્ત્રીઓ કબજે કર્યાં; તેમ જ તેમનાં ઘરોમાંથી બધું લૂંટી લીધું. ત્યારે યાકોબે શિમયોન અને લેવીને કહ્યું, “તમે મને સંકટમાં મૂક્યો છે. આ દેશના વતનીઓ કનાનીઓ તથા પરિઝીઓ મધ્યે તમે મને તિરસ્કારપાત્ર કર્યો છે. મારી પાસે તો થોડા જ માણસો છે, અને જો તેઓ મારી વિરુદ્ધ સંગઠિત થઈ મારા પર હુમલો કરે તો મારા કુટુંબનો નાશ થઈ જાય.” ત્યારે તેમણે કહ્યું, “તો શું અમારે અમારી બહેન સાથે વેશ્યા જેવો વ્યવહાર થવા દેવો?” ઈશ્વરે યાકોબને કહ્યું, “ઊઠ, બેથેલ જા અને ત્યાં રહે. તું તારા ભાઈ એસાવ પાસેથી નાસી છૂટયો તે વખતે તને દર્શન આપનાર ઈશ્વરને માટે તું ત્યાં વેદી બનાવ.” તેથી યાકોબે પોતાના કુટુંબને અને પોતાની સાથેના બધા માણસોને કહ્યું, “તમારી પાસે પારકા દેવોની જે મૂર્તિઓ હોય તેમને ફેંકી દો, પોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલી નાખો. પછી આપણે અહીંથી નીકળીને બેથેલ જઈએ. મારા સંકટના સમયમાં મારો પોકાર સાંભળનાર અને હું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં મને સાથ આપનાર ઈશ્વરને માટે હું ત્યાં એક વેદી બાંધીશ.” આથી તેમણે પોતાની પાસેના બધા પારકા દેવો તથા કાનમાંનાં કુંડળો યાકોબને સોંપી દીધાં અને યાકોબે તેમને શખેમ પાસેના મસ્તગી વૃક્ષ નીચે દાટી દીધાં. તેઓ ચાલી નીકળ્યા ત્યારે આસપાસનાં શહેરો ઉપર એવો ભય વ્યાપી ગયો કે તેમણે યાકોબના પુત્રોનો પીછો કર્યો નહિ. યાકોબ અને તેની સાથેના બધા લોકો કનાન દેશના લુઝ એટલે બેથેલ શહેરમાં આવી પહોંચ્યા. ત્યાં યાકોબે એક વેદી બનાવી અને તે સ્થળનું નામ એલ-બેથેલ (ઈશ્વરના ઘરનો ઈશ્વર) પાડયું. કારણ, તે જ્યારે પોતાના ભાઈ પાસેથી નાસી છૂટયો ત્યારે ઈશ્વરે તેને આ જ સ્થળે દર્શન આપ્યું હતું. રિબકાની દાઈ દબોરા ત્યાં મરી ગઈ અને તેને બેથેલ પાસે ઓકના વૃક્ષ નીચે દફનાવવામાં આવી. આથી તેણે તે વૃક્ષનું નામ એલોન-બાખૂથ (વિલાપનું એલોન એટલે ઓક વૃક્ષ) પાડયું. યાકોબ મેસોપોટેમિયાથી આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું અને તેને આશિષ આપીને કહ્યું, “તારું નામ યાકોબ છે. પણ હવે તારું નામ યાકોબ નહિ, પણ ઇઝરાયલ કહેવાશે.” તેમણે તેનું નામ ઇઝરાયલ પાડયું. પછી ઈશ્વરે તેને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સંતતિવાળો થા અને તારો વંશ વૃદ્ધિ પામો. તારામાંથી પ્રજા અને પ્રજાઓનો સમુદાય ઊતરી આવશે અને તારા વંશમાં રાજાઓ પાકશે. જે દેશ મેં અબ્રાહામને અને ઇસ્હાકને વતન તરીકે આપ્યો હતો તે હું તને અને તારા પછી તારા વંશજોને આપીશ.” ત્યાર પછી ઈશ્વર ત્યાંથી ઉપર ચઢી ગયા. પણ જે સ્થળે ઈશ્વરે યાકોબ સાથે વાત કરી હતી ત્યાં યાકોબે એક સ્તંભ ઊભો કર્યો, તેના પર તેણે દ્રાક્ષાસવનું અર્પણ ચડાવ્યું અને તેનો તેલથી અભિષેક કર્યો. જે સ્થળે ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તેનું નામ યાકોબે બેથેલ (ઈશ્વરનું ઘર) પાડયું. પછી તેઓ બેથેલથી નીકળ્યા અને એફ્રાથથી હજી થોડે દૂર હતા એવામાં રાહેલને પ્રસવપીડા ઊપડી અને જન્મ આપતાં તેને ઘણું કષ્ટ થયું. તેને ઘણું કષ્ટ થતું હતું ત્યારે દાયણે તેને કહ્યું, “ગભરાઈશ નહિ, કારણ, આ વખતે પણ તને પુત્ર જન્મે છે.” જીવ જતાં જતાં તેણે તેનું નામ બેનોની (કષ્ટનો પુત્ર) પાડયું અને તે મૃત્યુ પામી, પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન (જમણા હાથનો પુત્ર) પાડયું. આમ રાહેલ મૃત્યુ પામી અને તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવવામાં આવી. યાકોબે તેની કબર પર એક સ્મારકસ્તંભ ઊભો કર્યો અને તે આજે પણ રાહેલની કબરના સ્તંભ તરીકે ઊભો છે. ઇઝરાયલે આગળ વધીને એદેરના બુરજની પેલી તરફ મુકામ કર્યો. ઇઝરાયલ એ પ્રદેશમાં રહેતો હતો તે દરમ્યાન રૂબેને પોતાના પિતાની ઉપપત્ની બિલ્હા સાથે સમાગમ કર્યો અને ઇઝરાયલને તેની ખબર પડી. યાકોબને બાર પુત્રો હતા. લેઆહથી થયેલા પુત્રો: સૌથી જયેષ્ઠ પુત્ર રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર અને ઝબુલૂન. રાહેલથી થયેલા પુત્રો: યોસેફ અને બિન્યામીન. રાહેલની દાસી બિલ્હાથી થયેલા પુત્રો: દાન અને નાફતાલી. લેઆહની દાસી ઝિલ્પાથી થયેલા પુત્રો: ગાદ અને આશેર.આ બધા મેસોપોટેમિયામાં થયેલા યાકોબના પુત્રો હતા. યાકોબ મામરે અથવા કિર્યાથ-આર્બા એટલે હેબ્રોનમાં પોતાના પિતા ઇસ્હાક પાસે આવ્યો. અબ્રાહામ અને ઇસ્હાક ત્યાં જઈને વસ્યા હતા. ઇસ્હાક એક્સો એંસી વર્ષ સુધી જીવ્યો. પછી તે વયોવૃદ્ધ થઈ મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજોમાં મેળવાયો અને તેના પુત્રો એસાવ અને યાકોબે તેને દફનાવ્યો. આ એસાવ એટલે અદોમની વંશાવળી છે. એસાવે કનાની લોકોમાંથી પત્નીઓ કરી હતી: એલોન હિત્તીની પુત્રી આદા, સિબયોન હિવ્વીના પુત્ર આનાની પુત્રી ઓહલીબામા અને ઇશ્માએલની પુત્રી એટલે નબાયોથની બહેન બાસમાથ. *** એસાવને કનાનમાં થયેલા પુત્રો આ પ્રમાણે છે: આદાએ એલિફાઝને જન્મ આપ્યો, બાસમાથે રેઉએલને જન્મ આપ્યો અને ઓહલીબામાએ યેઉશ, યાલામ અને કોરાને જન્મ આપ્યો. *** પછી એસાવ તેની પત્નીઓ, પુત્રો અને પુત્રીઓ તથા સર્વ કુટુંબીજનો તથા ઘેટાંબકરાં, ઢોરઢાંક અને કનાનમાં મેળવેલી પોતાની સર્વ સંપત્તિ લઈને તેના ભાઈ યાકોબની પાસેથી દૂર દેશમાં જતો રહ્યો. કારણ, તેમની સંપત્તિ ઘણી હોવાથી તેઓ સાથે રહી શકે તેમ નહોતા. વળી, તેમનાં ઢોર એટલાં બધાં હતાં કે તેમના પ્રવાસના દેશમાં તેમનો નિભાવ થઈ શકે તેમ નહોતું. તેથી એસાવ સેઈરના પહાડીપ્રદેશમાં જઈને વસ્યો. એસાવ એ જ અદોમ છે. સેઈરના પહાડી પ્રદેશમાં વસેલા અદોમવાસીઓના પૂર્વજ એસાવની આ વંશાવળી છે. એસાવના પુત્રો આ છે: એસાવની પત્ની આદાનો પુત્ર એલિફાઝ અને તેની બીજી પત્ની બાસમાથનો પુત્ર રેઉએલ. એલિફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફો, ગાતામ, કનાઝ. એસાવના પુત્ર એલિફાઝની ઉપપત્ની તિમ્ના હતી. તેનો પુત્ર અમાલેક હતો. આ એસાવની પત્ની આદાના વંશજો છે. *** રેઉએલના પુત્રો: નાહાથ, ઝેરા, શામ્મા અને મિઝ્ઝા. એ એસાવની પત્ની બાસમાથના વંશજો છે. સિબયોનના પુત્ર આનાની પુત્રી ઓહલીબામા, જે એસાવની પત્ની હતી તેના વંશજો આ છે: યેઉશ, યાલામ તથા કોરા. એસાવના પુત્રોમાંના મુખ્ય સરદારો આ પ્રમાણે હતા. એસાવના પ્રથમ પુત્ર એલિફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફો, કનાઝ, કોરા, ગાતામ, અમાલેક. એલિફાઝને અદોમ દેશમાં થયેલા એ સરદારો છે. તેઓ આદાના વંશજો છે. *** એસાવના પુત્ર રેઉએલના પુત્રો: નાહાથ, ઝેરા, શામ્મા, મિઝ્ઝા. અદોમ દેશમાં રેઉએલથી થયેલા એ સરદારો છે. તેઓ એસાવની પત્ની બાસમાથના વંશજો છે. એસાવની પત્ની ઓહલીબામાના પુત્રો: યેઉશ, યાલામ અને કોરા. આ સરદારો એસાવની પત્ની, એટલે આનાની પુત્રી ઓહલીબામાના પુત્રો છે. આ એસાવના પુત્રો તથા સરદારો છે. એસાવ એ જ અદોમ છે. અદોમ દેશના મૂળ વતનીઓ હૂર વંશના સેઈરના પુત્રો આ છે: લોટાન, શોબાલ, સિબયોન, આના, દીશોન, એસેર, દીશાન. તેઓ હૂર વંશના સરદારો અને અદોમ દેશમાં વસેલા સેઈરના પુત્રો છે. *** લોટાનના પુત્રો હોરી તથા હોમામ હતા. વળી, લોટાનની બહેન તિમ્ના હતી. શોબાલના પુત્રો: આલ્વાન, માનાહાથ, એબાલ, સફો અને ઓનામ હતા. સિબયોનના પુત્રો આયા અને આના હતા. આના વેરાન પ્રદેશમાં પોતાના પિતાનાં ગધેડાં ચરાવતો હતો ત્યારે તેને ગરમ પાણીના ઝરા મળી આવ્યા. આનાનો પુત્ર દીશોન તથા પુત્રી ઓહલીબામા હતાં. દીશોનના પુત્રો: હેમ્દાન, એશ્બાન, યિથ્રામ અને ખારાન હતા. એસેરના પુત્રો બિલ્હાન, ઝાઅવાન અને અકાન. દીશાનના પુત્રો: ઉસ અને અરાન. હૂર વંશના સરદારો આ છે: લોટાન, શોબાલ, સિબયોન, આના, દીશોન, એસેર અને દીશાન. આ બધા પોતાના ગોત્ર પ્રમાણે સેઈર દેશના હુર વંશના સરદારો છે. *** ઇઝરાયલીઓ પર કોઈ રાજા નહોતો તે પહેલાં અદોમ દેશ પર રાજ્ય કરનાર રાજાઓ આ છે. બેઓરનો પુત્ર બેલા અદોમનો રાજા બન્યો. તેના શહેરનું નામ દીનહાબા હતું. બેલા મૃત્યુ પામ્યો, અને તેને સ્થાને બોસ્રાના વતની ઝેરાનો પુત્ર યોબાબ રાજા બન્યો. યોબાબ મૃત્યુ પામ્યો, અને તેને સ્થાને તેમાન પ્રદેશના હુશામે રાજ કર્યું. હુશામના મૃત્યુ પછી બિદાદના પુત્ર હદાદે રાજ કર્યું. તેણે મોઆબના પ્રદેશમાં મિદ્યાનીઓને હરાવ્યા. હદાદના શહેરનું નામ અવીથ હતું. હદાદના મૃત્યુ પછી માસરેકાના વતની સામ્લાએ રાજ કર્યું. સામ્લાના મૃત્યુ પછી નદી પાસેના રહોબોથના વતની શાઉલે રાજ કર્યું. શાઉલના મૃત્યુ પછી તેને સ્થાને આખ્બોરનો પુત્ર બાઆલ-હાનાન રાજા બન્યો. બાઆલ- હાનાનના મૃત્યુ પછી હદારે રાજ કર્યું. હદારના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું. તે મેઝાહાલના પુત્ર માટરેદની પુત્રી હતી. પોતાનાં કુટુંબ અને વસવાટનાં સ્થળ પ્રમાણે એસાવથી થયેલા સરદારોનાં આ નામ છે: તિમ્ના, આલ્વા, યથેથ, ઓહલીબામા, એલા, પીનોન, કનાઝ, તેમાન, મિલ્સાર, માગ્દીએલ, ઈરામ. પોતાના વસવાટના પ્રદેશ પ્રમાણે એ અદોમના સરદારો છે. અદોમાસીઓનો પૂર્વજ એસાવ જ છે. યાકોબ પોતાના પિતાના પ્રવાસના દેશમાં એટલે કનાન દેશમાં રહ્યો. આ યાકોબના કુટુંબની વાત છે. યોસેફ સત્તર વર્ષનો યુવાન હતો. તે તેના ભાઈઓ એટલે તેના પિતાની પત્નીઓ બિલ્હા અને ઝિલ્પાના પુત્રો સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તેના ભાઈઓનાં ભૂંડાં કામ તે તેના પિતા ઇઝરાયલને કહી દેતો. પોતાના બીજા બધા પુત્રો કરતાં ઇઝરાયલ યોસેફ પર વધારે પ્રેમ રાખતો હતો; કારણ, યોસેફ યાકોબની વૃદ્ધાવસ્થા દરમ્યાન જન્મ્યો હતો. તેણે તેને લાંબી બાંયોવાળો ઝભ્ભો બનાવડાવી આપ્યો હતો. જ્યારે તેના ભાઈઓએ જોયું કે તેમનો પિતા તેમના કરતાં યોસેફ પર વધારે પ્રેમ કરે છે, ત્યારે તેમણે તેમના ભાઈનો અત્યંત તિરસ્કાર કર્યો, એટલે સુધી કે તેઓ તેની સાથે હેતથી વાત પણ કરી શક્તા નહોતા. યોસેફને એક સ્વપ્ન આવ્યું. જ્યારે તેણે તે તેના ભાઈઓને કહી સંભળાવ્યું ત્યારે તેઓ તેનો વિશેષ તિરસ્કાર કરવા લાગ્યા. યોસેફે તેમને કહ્યું, “આ સ્વપ્નમાં મેં જે જોયું છે તે સાંભળો: જુઓ, આપણે ખેતરમાં પૂળા બાંધતા હતા. એવામાં મારો પૂળો ઊભો થયો અને તમારા પૂળા ચારે તરફ ઊભા રહ્યા, અને મારા પૂળાને નમ્યા.” તેના ભાઈઓએ તેને કહ્યું, “શું તું ખરેખર અમારા પર સત્તા ચલાવશે? શું તું અમારો માલિક બનશે?” પછી તેઓ સ્વપ્નને કારણે અને તેની વાતને લીધે તેનો વધારે તિરસ્કાર કરવા લાગ્યા. યોસેફને ફરી બીજું સ્વપ્ન આવ્યું. તેણે તેના ભાઈઓને કહ્યું, “જુઓ, મને બીજું સ્વપ્ન આવ્યું, અને આ સ્વપ્નમાં સૂર્ય, ચંદ્ર તથા અગિયાર તારા મારી આગળ નમ્યા.” તેણે તે તેના પિતાને તથા તેના ભાઈઓને કહી સંભળાવ્યું. ત્યારે તેના પિતાએ તેને ધમકાવીને કહ્યું, “તને આ કેવું સ્વપ્ન આવ્યું! શું હું, તારી મા તથા તારા ભાઈઓ સાચે જ તારી આગળ ભૂમિ સુધી નમન કરવા આવીશું?” તેથી તેના ભાઈઓએ તેનો તિરસ્કાર કર્યો; પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી. યોસેફના ભાઈઓ તેમના પિતાનાં ટોળાં ચરાવવા શખેમ ગયા હતા. ઇઝરાયલે યોસેફને કહ્યું, “શખેમમાં તારા ભાઈઓ ટોળાં ચરાવે છે. ચાલ, હું તને તેમની પાસે મોકલીશ.” યોસેફે જવાબ આપ્યો, “હા, હું તૈયાર છું.” તેના પિતાએ તેને કહ્યું, “જા, જઈને જો કે તારા ભાઈઓ અને ટોળાં સહીસલામત છે કે કેમ; પછી આવીને મને જણાવજે.” આમ, તેના પિતાએ તેને હેબ્રોનના ખીણપ્રદેશમાંથી મોકલી આપ્યો. યોસેફ શખેમ પાસે આવી પહોંચ્યો. એક માણસે તેને તે પ્રદેશમાં ભટક્તો જોઈને પૂછયું, “તું શું શોધે છે?” તેણે જવાબ આપ્યો, “હું મારા ભાઈઓને શોધું છું. મહેરબાની કરી મને કહેશો કે તેઓ કયાં ટોળાં ચરાવે છે?” તે માણસે કહ્યું, “તેઓ અહીંથી ચાલ્યા ગયા છે; તેઓ દોથાન જવાના હતા એમ મેં તેમને બોલતા સાંભળ્યા હતા” તેથી યોસેફ તેના ભાઈઓની પાછળ ગયો, અને તેમને દોથાનમાં જઈને મળ્યો. તેમણે તેને દૂરથી જોયો અને તે તેમની નજીક પહોંચ્યો તે અગાઉ તેમણે તેને મારી નાખવાનું કાવતરું ઘડયું. તેમણે એકબીજાને કહ્યું, “જુઓ, પેલો સ્વપ્નદર્શી આવે છે. હવે ચાલો, આપણે તેને મારી નાખીએ, ને કોઈ ખાડામાં ફેંકી દઈએ. પછી કહી દઈશું કે કોઈ જંગલી જનાવરે તેને ફાડી ખાધો છે. પછી જોઈશું કે તેના સ્વપ્નનું શું થાય છે.” રૂબેને તે સાંભળ્યું, ને તેણે યોસેફને તેમના હાથમાંથી છોડાવ્યો. તેણે કહ્યું, “આપણે તેને મારી નાખવો નથી.” તેમના હાથમાંથી યોસેફને છોડાવીને તેને પોતાના પિતાને સોંપવા માટે રૂબેને તેમને કહ્યું, “તમે તેનું ખૂન કરશો નહિ; વેરાનમાં આ જે ખાડો છે તેમાં તેને નાખી દો, પણ તેને કંઈ ઇજા કરશો નહિ.” યોસેફ જ્યારે તેના ભાઈઓ પાસે પહોંચ્યો ત્યારે તેમણે તેનો લાંબી બાંયોવાળો ઝભ્ભો ઉતારી લીધો. તેમણે તેને ઊંચકીને એક ઊંડા ખાડામાં નાખી દીધો. ખાડો ખાલી હતો અને તેમાં પાણી નહોતું. પછી તેઓ જમવા બેઠા હતા ત્યારે તેમણે નજર ઊંચી કરી તો ગિલ્યાદથી આવી રહેલ ઇશ્માએલીઓનો એક સંઘ જોયો. તેઓ તેમનાં ઊંટો પર તેજાના, લોબાન અર્ક અને બોળ લાદીને તેમને ઇજિપ્ત લઈ જતા હતા. યહૂદાએ પોતાના ભાઈઓને કહ્યું, “આપણા ભાઈને મારી નાખીને તેનું ખૂન છુપાવવાથી આપણને શો ફાયદો થવાનો છે? આપણે તેને આ ઇશ્માએલીઓને વેચી દઈએ અને તેને કંઈ ઇજા પહોંચાડીએ નહિ; કારણ, તે આપણો ભાઈ છે અને તેની સાથે આપણી લોહીની સગાઈ છે.” તેના ભાઈઓએ તેનું કહ્યું માન્યું. એ મિદ્યાની વેપારીઓ પાસે આવ્યા એટલે યોસેફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર કાઢયો. તેમણે ચાંદીના વીસ સિક્કામાં તેને ઇશ્માએલીઓને વેચી દીધો. તેઓ તેને ઇજિપ્તમાં લઈ ગયા. રૂબેને જ્યારે ખાડાની પાસે આવીને જોયું કે યોસેફ ખાડામાં નથી ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડયાં. તેણે તેના ભાઈઓની પાસે પાછા આવીને કહ્યું, “છોકરો તો નથી, હવે હું ક્યાં જાઉં?” પછી તેમણે એક બકરું કાપ્યું, અને યોસેફનો લાંબી બાંયોવાળો ઝભ્ભો રક્તમાં બોળ્યો. પછી એ ઝભ્ભો તેઓ તેમના પિતા યાકોબ પાસે લઈ ગયા. તેમણે કહ્યું, “આ ઝભ્ભો અમને મળ્યો છે; એ તમારા દીકરાનો છે કે કેમ તે જુઓ.” યાકોબે તે ઓળખીને કહ્યું, “હા, એ તેનો જ છે. જંગલી જનાવરે તેને ફાડી ખાધો લાગે છે; બેશક, યોસેફના ફાડીને ટુકડેટુકડા કરી નાખ્યા હશે.” યાકોબે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં, અને શોક દર્શાવવા માટે પોતાની કમરે શ્વેત અળસીરેસાનું વસ્ત્ર વીંટાળ્યું. પોતાના દીકરાને માટે તેણે ઘણા દિવસો સુધી શોક કર્યો. તેના બધાં દીકરાદીકરીઓ તેને દિલાસો આપવા માટે આવ્યા, પણ તેણે દિલાસો પામવાની ના પાડી અને કહ્યું, “મારા પુત્ર પાસે હું મૃત્યુલોક શેઓલમાં પહોંચું ત્યાં સુધી હું તેને માટે શોક કરીશ.” આમ, પોતાના દીકરા યોસેફ માટે તેણે શોક કર્યા કર્યો. પેલા મિદ્યાનીઓએ યોસેફને ઇજિપ્તમાં ફેરોના અધિકારી અને અંગરક્ષકોના ઉપરી પોટીફારને ત્યાં વેચી દીધો. એ સમયે એવું બન્યું કે યહૂદા પોતાના ભાઈઓ પાસેથી નીકળીને અદુલ્લામ નગરના હીરાને ત્યાં રહેવા ગયો. યહૂદાએ ત્યાં શૂઆ નામના એક કનાની માણસની પુત્રીને જોઈ. તેણે તેની સાથે લગ્ન કર્યાં. તેણે તેની સાથે સમાગમ કર્યો. તે ગર્ભવતી થઈ અને પુત્રને જન્મ આપ્યો. યહૂદાએ તેનું નામ એર પાડયું. તે ફરી ગર્ભવતી થઈ અને તેને પુત્ર જન્મ્યો અને યહૂદાએ તેનું નામ ઓનાન પાડયું. તેણે ફરીથી પુત્રને જન્મ આપ્યો અને તેણે તેનું નામ શેલા પાડયું. તે જન્મ્યો ત્યારે તે ખઝીબમાં હતો. યહૂદાએ પોતાના જયેષ્ઠ પુત્ર એરનાં લગ્ન કરાવ્યાં. એની સ્ત્રીનું નામ તામાર હતું. પણ યહૂદાનો જયેષ્ઠ પુત્ર એર પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ હતો એટલે પ્રભુએ તેને મારી નાખ્યો. પછી યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની સાથે સમાગમ કર; તેના પ્રત્યે પતિના ભાઈ તરીકેની તારી ફરજ પૂરી કર અને તારા ભાઈ માટે વંશજ પેદા કર.” પણ ઓનાન જાણતો હતો કે એ તેનું બાળક ગણાશે નહિ. તેથી પોતાની ભાભી સાથે સમાગમ કરતી વેળાએ તે જમીન પર સ્ખલન કરી દેતો; જેથી તેના ભાઈનો વંશજ પેદા ન થાય. તેનું એ કાર્ય પ્રભુની દૃષ્ટિમાં ભૂંડું હતું. તેથી તેમણે તેને પણ મારી નાખ્યો. ત્યારે યહૂદાએ પોતાની પુત્રવધૂ તામારને કહ્યું, “મારો પુત્ર મોટો થાય ત્યાં સુધી તું તારા પિતાને ત્યાં વિધવા તરીકે રહે.” કારણ, તેને બીક લાગી કે કદાચ શેલા પણ પોતાના ભાઈની જેમ માર્યો જાય. એટલે તામાર પોતાના પિતાને ઘેર જઈને રહી. કેટલાક સમય પછી યહૂદાની પત્ની એટલે શૂઆની દીકરી મૃત્યુ પામી. શોકનો સમય પૂરો થયા પછી યહૂદા અદુલ્લામના પોતાના મિત્ર હીરા સાથે પોતાનાં ઘેટાં કાતરનારાઓ પાસે તિમ્ના ગયો. તામારને ખબર મળી કે તેના સસરા ઘેટાં પરથી ઊન કાતરવા તિમ્ના જાય છે. ત્યારે તેણે પોતાનાં વૈધવ્યનાં વસ્ત્રો ઉતારી નાખ્યાં, બુરખો ઓઢી લીધો અને તિમ્ના જવાના રસ્તે આવેલા એનાઈમના દરવાજા આગળ બેઠી; કારણ, તેણે જોયું કે શેલા મોટો થયો હોવા છતાં તેની સાથે તેનું લગ્ન કરાવવામાં આવ્યું નથી. યહૂદાએ તેને જોઈને તેને વેશ્યા માની લીધી. કારણ, તેણે બુરખો ઓઢયો હતો. યહૂદાએ રસ્તાની બાજુએ તેની પાસે જઈને તેને પૂછયું, “ચાલ, મને તારી સાથે સૂવા દે.” કારણ, તે જાણતો નહોતો કે એ તેની પુત્રવધૂ છે. તામારે કહ્યું, “મારી સાથે સૂવા માટે તમે મને શું આપશો?” તેણે જવાબ આપ્યો, “હું તને મારા બકરામાંથી એક લવારું મોકલી આપીશ.” તેણે કહ્યું, “તમે મને લવારું મોકલો ત્યાં સુધી જામીનગીરીમાં કોઈ વસ્તુ આપો.” યહૂદાએ પૂછયું, “જામીનગીરી તરીકે હું શું આપું?” તેણે કહ્યું, “તમારી મુદ્રા, તમારો અછોડો અને તમારા હાથમાંની લાકડી.” તેથી યહૂદાએ એ વસ્તુઓ તેને આપી અને તેની સાથે સમાગમ કર્યો અને તેથી તે ગર્ભવતી થઈ. પછી તે ઊઠીને ચાલી ગઈ અને બુરખો કાઢી નાખીને પોતાનાં વૈધવ્યનાં વસ્ત્રો પહેરી લીધાં. પછી યહૂદાએ એ સ્ત્રી પાસે જામીનગીરી તરીકે મૂકેલી વસ્તુઓ પાછી મેળવવા માટે અદુલ્લામના વતની તેના મિત્ર સાથે લવારું મોકલ્યું, પણ તેને તે સ્ત્રી મળી નહિ. તેથી તેણે તે સ્થળના લોકોને પૂછયું, “એનાઈમના દરવાજે રસ્તા પાસે બેઠેલી વેશ્યા ક્યાં છે?” ત્યારે તેમણે જવાબ આપ્યો, “અહીં કોઈ વેશ્યા હતી જ નહિ.” એટલે તેણે યહૂદા પાસે પાછા આવીને કહ્યું, “મને તો તે ન મળી. વળી, ત્યાંના લોકોએ મને કહ્યું કે ત્યાં કોઈ વેશ્યા હતી જ નહિ.” ત્યારે યહૂદાએ કહ્યું, “એની પાસેની આપણી વસ્તુઓ ભલે તેની પાસે જ રહેતી, નહિ તો આપણી ફજેતી થશે. મેં તો તેને આ લવારું મોકલ્યું પણ તને એ મળી નહિ.” લગભગ ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધૂએ વ્યભિચાર કર્યો છે અને તેની બદચાલને પરિણામે તે ગર્ભવતી થઈ છે.” યહૂદાએ કહ્યું, “તેને બહાર લઈ જઈને બાળી મૂકો.” પણ તેઓ તેને બહાર લાવી રહ્યા હતા ત્યારે તેણે પોતાના સસરાને કહેવડાવ્યું, “આ વસ્તુઓ જેની છે તે માણસથી હું ગર્ભવતી થઈ છું. હવે આ મુદ્રા, અછોડો અને લાકડી કોનાં છે તે ઓળખી લો.” યહૂદાએ તે વસ્તુઓને ઓળખીને કબૂલ કર્યું કે, “તામાર મારા કરતાં વધારે ન્યાયી છે. કારણ, મેં મારા પુત્ર શેલાનું લગ્ન તેની સાથે કરાવ્યું નથી.” ત્યાર પછી તેણે તામાર સાથે સમાગમ કર્યો નહિ. તામારનો પ્રસવનો સમય પાસે આવ્યો ત્યારે ખબર પડી કે તેના પેટમાં જોડકાં બાળકો છે. પ્રસવ દરમ્યાન એકે હાથ બહાર કાઢયો એટલે દાયણે તેને પકડીને તે પર લાલ દોરો બાંધી દીધો અને કહ્યું, “આ પ્રથમ જન્મ્યો છે.” પણ તેણે હાથ પાછો ખેંચી લીધો અને તેનો ભાઈ પહેલો બહાર આવ્યો. ત્યારે દાયણે કહ્યું, “તું કેવી રીતે ફાટ પાડીને બહાર આવ્યો?” આથી તેનું નામ પેરેસ (ફાટ પાડનાર) પાડવામાં આવ્યું. ત્યાર પછી તેનો ભાઈ હાથે બાંધેલા લાલ દોરા સાથે બહાર આવ્યો, એટલે તેનું નામ ઝેરા પાડવામાં આવ્યું. યોસેફને ઇજિપ્તમાં લઈ જવામાં આવ્યો. ત્યાં તેને ઇજિપ્તમાં લાવનાર ઇશ્માએલીઓ પાસેથી ફેરો રાજાના અધિકારી અને અંગરક્ષકોના ઉપરી પોટીફાર ઇજીપ્તીએ તેને ખરીદી લીધો. પ્રભુ યોસેફની સાથે હતા અને જે કંઈ કામ તે કરતો તેમાં તે સફળ થતો. તે તેના ઇજિપ્તી માલિકના ઘરમાં રહેતો હતો. તેના માલિકે જોયું કે પ્રભુ તેની સાથે છે અને તેના પ્રત્યેક કાર્યમાં તેને સફળ કરે છે. પોટીફાર યોસેફ પર પ્રસન્‍ન હતો; તેથી તેણે તેને પોતાનો અંગત સેવક બનાવ્યો અને પોતાનું ઘર તથા પોતાની સઘળી માલમિલક્તનો વહીવટ યોસેફના હસ્તક મૂક્યો. તેણે એ રીતે પોતાના ઘરકુટુંબને અને પોતાની સઘળી માલમિલક્તને યોસેફની દેખરેખ નીચે મૂક્યાં તે સમયથી માંડીને પ્રભુએ યોસેફને લીધે એ ઇજિપ્તીના ઘરકુટુંબને આશિષ આપી. તેના ઘરમાં તેમ જ ખેતરમાં જે કંઈ હતું તે બધામાં પ્રભુએ આશિષ આપી. પોટીફારે પોતાની પાસે જે કંઈ હતું તે બધું યોસેફની દેખરેખ હેઠળ રાખ્યું; પોતે જે ખોરાક ખાતો એ સિવાય તે બીજા કશા કામની ફિકર કરતો નહિ. યોસેફ સુડોળ અને દેખાવડો હતો. થોડા સમય બાદ તેના માલિકની પત્ની યોસેફ પર વાસનાભરી દૃષ્ટિએ જોવા લાગી. તેણે યોસેફને કહ્યું, “મારી સાથે સૂઈ જા.” તેણે ઈન્કાર કરતાં કહ્યું, “હું અહીં છું તેથી મારા માલિકને ઘરની કોઈ બાબતની ફિકર રહેતી નથી. પોતાની પ્રત્યેક વસ્તુ તેમણે મારા હસ્તક મૂકી છે. આ ઘરમાં તેમણે મને તેમના જેટલી જ સત્તા સોંપી છે, અને તમે તેમનાં પત્ની છો એટલે માત્ર તમારા સિવાય તેમણે મારાથી બીજું કંઈ પાછું રાખ્યું નથી. તો પછી એવું દુષ્ટ કામ કરીને હું કેવી રીતે ઈશ્વર વિરુદ્ધ પાપ કરી શકું?” જો કે દિન પ્રતિદિન તે યોસેફને કહ્યા કરતી પણ તેની સાથે સૂઈ જવા અથવા તેની સાથે રહેવા સંબંધી તેણે તેનું કહેવું માન્યું નહિ. પણ એક દિવસે યોસેફ ઘરમાં પોતાનું કામ કરવા ગયો. કુટુંબનું કોઈ માણસ ઘરમાં હતું નહિ. તેણે યોસેફે ઓઢેલું વસ્ત્ર પકડીને તેને કહ્યું, “મારી સાથે સૂઈ જા.” પણ તે પોતાનું વસ્ત્ર તેના હાથમાં જ છોડી દઈને ઘર બહાર નાસી ગયો. તેણે જ્યારે જોયું કે યોસેફ તેનું વસ્ત્ર મૂકી દઈને નાસી ગયો છે, ત્યારે તેણે ઘરના માણસોને બોલાવ્યા, “અરે, જુઓ, જુઓ, મારા પતિ આ હિબ્રૂને ઘરમાં લાવ્યા અને હવે તેણે મારું અપમાન કર્યું છે. તે મારા ઓરડામાં આવ્યો અને મારા પર બળાત્કાર કરવા ચાહતો હતો, પણ મેં મોટેથી બૂમ પાડી. *** મારી બૂમ સાંભળીને તે પોતાનું વસ્ત્ર મૂકી દઈને બહાર નાસી ગયો.” યોસેફનો માલિક ઘેર આવ્યો ત્યાં સુધી તેણે તે વસ્ત્ર રાખી મૂકાયું. પછી તેણે તેને પણ એ જ વાત કરી: “આપણે માટે તમે પેલો હિબ્રૂ ગુલામ લાવેલા તે મારા ઓરડામાં મારી છેડતી કરવા આવ્યો. પણ મેં જ્યારે બૂમ પાડી ત્યારે તે પોતાનું વસ્ત્ર મારી પાસે છોડી દઈને બહાર નાસી ગયો.” “તમારા નોકરે મારી સાથે આવો વર્તાવ કર્યો” એવું પોતાની સ્ત્રીને કહેતાં સાંભળીને યોસેફના માલિકનો ક્રોધ સળગી ઊઠયો. તેણે યોસેફની ધરપકડ કરાવી અને જ્યાં રાજાના કેદીઓ રખાતા હતા ત્યાં તેને જેલમાં પૂરી દીધો, અને યોસેફ ત્યાં જેલમાં જ રહ્યો. પણ પ્રભુ યોસેફની સાથે હતા અને તેના પ્રત્યે માયાળુ હતા. તેથી જેલનો અધિકારી તેના પર પ્રસન્‍ન હતો. જેલના અધિકારીએ જેલના સર્વ કેદીઓ યોસેફના હાથમાં સોંપ્યા, અને યોસેફ જ તેઓ પાસે ત્યાંનું સર્વ કામ કરાવતો. જેલનો અધિકારી તેને સોંપેલા કોઈ પણ કાર્ય પર દેખરેખ રાખતો નહિ; કારણ, પ્રભુ યોસેફની સાથે હતા અને તે જે કંઈ કાર્ય કરતો તેમાં પ્રભુ તેને સફળતા આપતા. થોડા દિવસ પછી એવું બન્યું કે ઇજિપ્તના રાજાના દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ તથા મુખ્ય રસોઈયાએ રાજાનો અપરાધ કર્યો. તેથી ફેરો પોતાના એ બન્‍ને અધિકારીઓ એટલે દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરી પર તથા મુખ્ય રસોઈયા પર ક્રોધે ભરાયો. તેણે તેમને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં જ્યાં યોસેફને પૂરવામાં આવ્યો હતો ત્યાં જેલમાં પૂરી દીધા. અંગરક્ષકોના ઉપરીએ યોસેફને તેમની સેવામાં નીમ્યો અને તે તેમની સેવા કરવા લાગ્યો. આમ, તેઓ કેટલોક સમય જેલમાં રહ્યા. હવે ઇજિપ્તી રાજાના કેદમાં પૂરાયેલા એ અધિકારીઓ એટલે દ્રાક્ષાસવ પીરસનારાઓનો ઉપરી અને મુખ્ય રસોઈયો એ બન્‍નેને એક રાત્રે સ્વપ્ન આવ્યાં. બન્‍નેનાં સ્વપ્નો જુદાં જુદાં હતાં અને દરેક સ્વપ્નનો અર્થ પણ જુદો હતો. સવારે યોસેફ તેમની પાસે આવ્યો ત્યારે તેણે તેમને નાસીપાસ થયેલા જોયા. તેથી તેણે ફેરોના એ કેદી અમલદારોને પૂછયું, “આજે તમારાં મોં વીલાં કેમ પડી ગયાં છે?” તેમણે કહ્યું, “અમને બન્‍નેને સ્વપ્ન આવ્યાં હતાં, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી.” ત્યારે યોસેફે કહ્યું, “અર્થ કરવો એ શું ઈશ્વરનું કાર્ય નથી? તમારું સ્વપ્ન તો મને કહો!” તેથી દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ યોસેફને પોતાનું સ્વપ્ન જણાવ્યું: “મારા સ્વપ્નમાં મેં મારી સામે એક દ્રાક્ષવેલો જોયો. એ વેલાને ત્રણ ડાળીઓ હતી. તેને કળીઓ ફૂટી કે તરત જ ફૂલ ખીલ્યાં અને દ્રાક્ષની પુષ્કળ લૂમો પાકી. મારા હાથમાં ફેરોનો પ્યાલો હતો. મેં દ્રાક્ષ તોડીને પ્યાલામાં નીચોવી અને પ્યાલો ફેરોના હાથમાં આપ્યો.” ત્યારે યોસેફે તેને કહ્યું, “એનો અર્થ આ પ્રમાણે છે: ત્રણ ડાળી એ ત્રણ દિવસ છે. ત્રણ દિવસમાં ફેરો તમને મુક્ત કરશે, ક્ષમા કરશે અને તમને તમારી જગ્યાએ પાછા નીમશે અને પહેલાં જેમ તમે તેમના દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરી હતા અને તેમના હાથમાં પ્યાલો આપતા હતા તેમ ફરીથી આપશો. *** પણ તમારું ભલું થાય ત્યારે મને જરૂર યાદ કરજો અને મારા પર દયા રાખજો. વળી, ફેરોને મારી વાત કરીને મને આ જેલમાંથી છોડાવજો. હિબ્રૂઓના દેશમાંથી મને ઉપાડી લાવવામાં આવ્યો છે અને અહીં પણ મેં જેલમાં પુરાવું પડે એવું કંઈ કર્યું નથી.” જ્યારે મુખ્ય રસોઈયાએ આ અનુકૂળ અર્થ સાંભળ્યો ત્યારે તેણે પણ યોસેફને કહ્યું, “મને પણ એક સ્વપ્ન આવ્યું હતું. મારા માથા પર સફેદ રોટલીની ત્રણ ટોપલીઓ હતી. સૌથી ઉપરની ટોપલીમાં ફેરો માટે દરેક જાતની સ્વાદિષ્ટ વાનગીઓ હતી. પણ પક્ષીઓ માથા ઉપરની ટોપલીઓમાંથી તે ખાઈ જતાં હતાં.” યોસેફે જવાબ આપ્યો, “એનો અર્થ આ પ્રમાણે છે: ત્રણ ટોપલીઓ એ ત્રણ દિવસ છે. ત્રણ દિવસમાં ફેરો તમારો શિરચ્છેદ કરાવશે અને તમને વૃક્ષ પર લટકાવી દેશે અને પક્ષીઓ તમારું માંસ ચૂંટી ખાશે.” ત્રીજે દિવસે ફેરોનો જન્મદિવસ હતો. તેણે પોતાના બધા અધિકારીઓને મિજબાની આપી. તેણે દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીને અને મુખ્ય રસોઈયાને મુક્ત કરીને તે સૌની સમક્ષ હાજર કર્યા. તેણે દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીને ફરીથી તેના સ્થાને નીમ્યો અને તેણે ફેરોના હાથમાં પ્યાલો આપ્યો. પણ મુખ્ય રસોઈયાને તેણે ફાંસીએ લટકાવી દીધો. યોસેફે કરેલા અર્થ પ્રમાણે જ બન્યું. છતાં દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ યોસેફને યાદ કર્યો નહિ; પણ તેને ભૂલી ગયો. બે વર્ષ બાદ ફેરોને સ્વપ્ન આવ્યું કે તે નાઈલ નદી પાસે ઊભો હતો; ત્યારે નદીમાંથી સાત સુંદર અને પુષ્ટ ગાયો નીકળી આવી અને બરુના ઘાસમાં ચરવા લાગી. તેમના પછી બીજી સાત કદરૂપી અને દુબળી ગાયો નદીમાંથી બહાર આવી અને પેલી બીજી ગાયો પાસે નદી કિનારે ઊભી રહી. પછી પેલી દુબળી ગાયો સાત પુષ્ટ ગાયોને ખાઈ ગઈ; અને ફેરો જાગી ઊઠયો. તે ફરીથી ઊંઘી ગયો અને તેને ફરીથી સ્વપ્ન આવ્યું. એક જ સાંઠા પર અનાજનાં સાત કણસલાં ઊગી રહ્યાં હતાં; તેઓ દાણાએ ભરેલાં અને પાકાં હતાં. પછી અનાજનાં બીજાં સાત કણસલાં ફૂટી નીકળ્યાં; તે પાતળાં અને પૂર્વના રણપ્રદેશના પવનથી સુકાઈ ગયેલાં હતાં. અનાજનાં પાતળાં કણસલાં સાત ભરાવદાર કણસલાંને ગળી ગયાં. ફેરો જાગી ઊઠયો તો ખબર પડી કે એ તો સ્વપ્ન હતું. સવારમાં રાજા મનમાં ઘણો વ્યથિત હતો, તેથી તેણે ઇજિપ્તના બધા જાદુગરો અને જ્ઞાની માણસોને બોલાવડાવ્યા. તેણે તેમને પોતાનાં સ્વપ્નો કહી જણાવ્યાં, પણ કોઈ ફેરોને એનો અર્થ કહી શકાયો નહિ. પછી દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ ફેરોને કહ્યું, “આજે મને મારો અપરાધ યાદ આવે છે. તમે તમારા દાસો પર ક્રોધે ભરાયા હતા, અને તમે મને તથા મુખ્ય રસોઈયાને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં આવેલી જેલમાં પૂર્યા હતા. *** એક જ રાત્રે અમને બન્‍નેને સ્વપ્ન આવ્યાં અને અમારા દરેકના સ્વપ્નનો ખાસ અર્થ હતો. અમારી સાથે ત્યાં એક હિબ્રૂ યુવાન હતો. તે તો અંગરક્ષકોના ઉપરી અમલદારનો દાસ હતો. અમે તેને અમારાં સ્વપ્નો કહ્યાં. તેણે અમારી આગળ તેમનો ખુલાસો કર્યો, અને દરેકને તેના સ્વપ્નનો અર્થ કહી બતાવ્યો. તેણે સમજાવેલા અર્થ પ્રમાણે જ બધું બન્યું. મને મારી જગ્યાએ ફરીથી નીમવામાં આવ્યો અને મુખ્ય રસોઈયાને ફાંસી દેવાઈ.” ત્યારે ફેરોએ યોસેફને તેડાવ્યો અને તેઓ તરત જ તેને જેલમાંથી કાઢી લાવ્યા. પોતે હજામત કરી વસ્ત્ર બદલ્યા પછી તે ફેરો સમક્ષ આવ્યો. ફેરોએ યોસેફને કહ્યું, “મને સ્વપ્ન આવ્યું હતું, અને કોઈ તેનો અર્થ કરી શકાયું નથી. મને એવું જણાવવામાં આવ્યું છે કે તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કરી શકે છે.” યોસેફે જવાબ આપ્યો, “હું તો નહિ, પણ ઈશ્વર ફેરોને સંતોષકારક જવાબ આપશે.” ફેરોએ યોસેફને કહ્યું, “જો, હું મારા સ્વપ્નમાં નાઈલ નદી પાસે ઊભો હતો; ત્યારે નદીમાંથી સાત પુષ્ટ અને સુંદર ગાયો નીકળી આવી અને બરુના ઘાસમાં ચરવા લાગી. પછી બીજી સાત કદરૂપી અને દુબળી ગાયો નદીમાંથી બહાર આવી. તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા ઇજિપ્તમાં ક્યારેય જોઈ નહોતી. પછી પેલી કદરૂપી તથા દુબળી ગાયો સાત પુષ્ટ ગાયોને ખાઈ ગઈ. તેઓ પેલી ગાયોને ખાઈ ગઈ, તોપણ તેઓ તેમને ખાઈ ગઈ હોય તેવું લાગ્યું નહિ; પણ પહેલાંની જેમ જ તેઓ કદરૂપી રહી, અને હું જાગી ઊઠયો. “બીજા સ્વપ્નમાં મેં જોયું તો એક જ સાંઠા પર અનાજનાં સાત કણસલાં ઊગી રહ્યાં હતાં, તેઓ દાણાએ ભરેલાં અને પાકાં હતાં. પછી અનાજના બીજાં સાત કણસલાં ફૂટી નીકળ્યાં, તે પાતળાં અને પૂર્વના રણપ્રદેશના પવનથી સુકાઈ ગયેલાં હતાં. અનાજનાં પાતળાં કણસલાં, સાત ભરાવદાર કણસલાંને ગળી ગયાં. મેં જાદુગરોને એ કહ્યું, પણ તેમાંનો કોઈ મને તેનો અર્થ બતાવી શકાયો નથી.” યોસેફે ફેરોને કહ્યું, “બે સ્વપ્નોનો અર્થ એક જ છે. ઈશ્વર શું કરવાના છે તે તેમણે તમને જણાવ્યું છે. સાત પુષ્ટ ગાયો સાત વર્ષ છે અને અનાજનાં સાત ભરાવદાર કણસલાં પણ સાત વર્ષ છે; તેમનો એક જ અર્થ છે. પાછળથી આવેલી સાત કદરૂપી તથા દુબળી ગાયો તેમ જ દાણા વગરનાં પાતળાં તથા પૂર્વના રણપ્રદેશના પવનથી સુકાઈ ગયેલાં અનાજનાં સાત કણસલાં દુકાળનાં સાત વર્ષ છે. એ તો મેં તમને કહ્યું તેમ ઈશ્વર શું કરવાના છે તે તેમણે તમને બતાવ્યું છે. ઇજિપ્તના સમસ્ત પ્રદેશમાં મહા સમૃદ્ધિનાં સાત વર્ષ આવશે. પણ ત્યાર પછી દુકાળનાં સાત વર્ષ આવશે, અને ઇજિપ્ત દેશની બધી સમૃદ્ધિ ભુલાઈ જશે, દુકાળ દેશનો વિનાશ કરશે અને સમૃદ્ધિનો સમય સંપૂર્ણપણે ભુલાઈ જશે, કારણ, તે પછી આવનાર દુકાળ ઘણો કારમો હશે. હે રાજા, તમને બે વાર સ્વપ્ન આવ્યાં એનો અર્થ એ છે કે એ વાત ઈશ્વરે નક્કી ઠરાવી છે અને નજીકના ભવિષ્યમાં જ ઈશ્વર તેનો અમલ કરશે. માટે તમારે હવે એક કાબેલ અને જ્ઞાની માણસને પસંદ કરીને તેને ઇજિપ્ત દેશનો કારભાર સોંપવો જોઈએ. વળી, તમારે દેશ પર અધિકારીઓ નીમીને સમૃદ્ધિનાં સાત વર્ષ દરમિયાન ઇજિપ્તની ભૂમિમાંથી થનાર પાકનો પાંચમો ભાગ લેવો જોઈએ. તેઓ આવનાર સાત સારાં વર્ષો દરમ્યાન અનાજનો સંગ્રહ કરે. એ કામ તેઓ તમારી સત્તા હેઠળ કરે અને ખોરાકને માટે બધાં શહેરોમાં અનાજનો સંગ્રહ કરી સાચવી રાખે. એ અનાજ ઇજિપ્ત પર આવી પડનાર દુકાળનાં સાત વર્ષ દરમિયાન અનામત પૂરવઠો બની રહેશે, અને એમ ઇજિપ્તના લોકો દુકાળને લીધે માર્યા જશે નહિ.” ફેરો અને તેના અધિકારીઓને એ યોજના ગમી ગઈ. ફેરોએ તેમને કહ્યું, “જેનામાં ઈશ્વરનો આત્મા વાસ કરતો હોય એવો આના જેવો બીજો માણસ આપણને ક્યાંથી મળે?” *** તેથી ફેરોએ યોસેફને કહ્યું, “ઈશ્વરે આ બધું તને બતાવ્યું છે માટે તારા કરતાં વધારે કાબેલ અને જ્ઞાની બીજો કોઈ નથી. હું તને મારા રાજ્યનો અધિકાર સોંપું છું અને મારા સર્વ લોકો તારા આદેશોનું પાલન કરશે. માત્ર રાજગાદીની બાબતમાં રાજા તરીકે હું તારા કરતાં ઉચ્ચ દરજ્જે હોઈશ.” ફેરોએ યોસેફને કહ્યું, “જો, મેં તને આખા ઇજિપ્ત દેશનો અધિપતિ ઠરાવ્યો છે.” ફેરોએ પોતાની રાજમુદ્રિકા કાઢીને યોસેફને પહેરાવી, તેને અળસીરેસાનાં બારીક વસ્ત્ર પહેરાવ્યાં અને ગળામાં સોનાની સાંકળી પહેરાવી. પછી તેને ફેરોથી બીજા દરજ્જાના રથમાં બેસાડીને તેની આગળ “ધૂંટણ ટેકવો” એવો આદેશ પોકારવામાં આવ્યો. આમ, ફેરોએ તેને આખા ઇજિપ્તનો અધિપતિ બનાવ્યો. વળી, ફેરોએ યોસેફને કહ્યું, “હું ફેરો છું અને સમગ્ર ઇજિપ્તમાં તારા કહ્યા વગર કોઈ માણસ હાથ કે પગ ઉઠાવે નહિ. ફેરોએ યોસેફનું નામ સાફનાથ-પાનેઆ પાડયું, અને ઓનના યજ્ઞકાર પોટીફેરાની દીકરી આસનાથ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. પછી યોસેફ આખા ઇજિપ્તમાં ફરવા નીકળ્યો. ઇજિપ્તના રાજા ફેરોએ તેની સેવામાં યોસેફની નિમણૂક કરી ત્યારે યોસેફ ત્રીસ વર્ષનો હતો. યોસેફે ફેરો પાસેથી જઈને આખા દેશની મુલાકાત લીધી. સમૃદ્ધિનાં સાત વર્ષ દરમિયાન ભૂમિમાંથી મબલક પાક થયો. ઇજિપ્તના પ્રદેશમાં સમૃદ્ધિના એ સાત વર્ષ દરમિયાન થયેલું બધું અનાજ એકઠું કરીને યોસેફે શહેરોમાં તેનો સંગ્રહ કર્યો. પ્રત્યેક શહેરની આસપાસનાં ખેતરોમાંથી તેણે અનાજ એકઠું કરીને તે જ શહેરમાં ભરી રાખ્યું. તેણે સમુદ્રની રેતીના જેટલું અઢળક અનાજ સંઘર્યું, એટલે સુધી કે તેણે તેનો હિસાબ રાખવાનું પણ મૂકી દીધું. કારણ, તેનો હિસાબ રાખી શકાય તેમ હતું જ નહિ. દુકાળનાં વર્ષો આવ્યાં તે પહેલાં ઓનના યજ્ઞકાર પોટીફેરાની દીકરી આસનાથથી યોસેફને બે પુત્રો થયા. યોસેફે કહ્યું, “ઈશ્વરે મારાં સર્વ દુ:ખો અને મારા પિતાનું ઘર વિસરાવ્યાં છે.” તેથી તેણે તેના પ્રથમ પુત્રનું નામ મનાશ્શા (વિસ્મરણદાયક) પાડયું. તેણે એમ પણ કહ્યું, “મારા સંકટના દેશમાં ઈશ્વરે મને ફળવંત કર્યો છે.” તેથી તેણે બીજા પુત્રનું નામ એફ્રાઈમ (બેવડી વૃદ્ધિ) પાડયું. ઇજિપ્તમાં સમૃદ્ધિનાં જે સાત વર્ષ આવ્યાં તે વીતી ગયાં. યોસેફના કહ્યા પ્રમાણે દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં અને સર્વ દેશોમાં દુકાળ પડયો, પણ સમગ્ર ઇજિપ્તમાં અન્‍ન હતું. આખો ઇજિપ્ત દેશ ભૂખે મરવા લાગ્યો ત્યારે લોકોએ ફેરોની આગળ અનાજ માટે આજીજી કરી. ફેરોએ સર્વ ઇજિપ્તીઓને કહ્યું, “યોસેફ પાસે જાઓ, અને તે કહે તે પ્રમાણે કરો.” આખા દેશમાં દુકાળ પડયો ત્યારે યોસેફે બધા કોઠારો ઉઘાડીને ઇજિપ્તીઓને અનાજ વેચાતું આપ્યું. ઇજિપ્તમાં દુકાળ ખૂબ વિકટ હતો. બધા દેશોના લોકો ઇજિપ્તમાં યોસેફ પાસે અનાજ વેચાતું લેવા માટે આવતા હતા. કારણ, આખી પૃથ્વી પર ભારે દુકાળ હતો. યાકોબે જાણ્યું કે ઇજિપ્તમાં અનાજ છે. તેથી તેણે પોતાના દીકરાઓને કહ્યું, “તમે એકબીજાની સામે જોઈ કેમ બેસી રહ્યા છો? મારા સાંભળવામાં આવ્યું છે કે ઇજિપ્તમાં અનાજ મળે છે; ત્યાં જાઓ અને આપણે માટે કંઈક ખરીદી લાવો કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ.” તેથી યોસેફના દસ ભાઈઓ ઇજિપ્તમાં અનાજ ખરીદવા ગયા. યાકોબે યોસેફના સગા ભાઈ બિન્યામીનને ન મોકલ્યો, કારણ તેના પર કંઈક વિધ્ન આવી પડે એવો તેને ભય હતો. *** બીજા માણસોની સાથે ઇઝરાયેલના દીકરાઓ પણ અનાજ ખરીદવા ગયા; કારણ, કનાન દેશમાં પણ દુકાળ હતો. યોસેફ ઇજિપ્ત દેશનો અધિપતિ હતો અને તે જ દુનિયાના સર્વ લોકોને અનાજ વેચાતું આપતો હતો. તેથી યોસેફના ભાઈઓ આવ્યા અને ભૂમિ સુધી પોતાનાં માથાં નમાવીને તેને પ્રણામ કર્યા. યોસેફે પોતાના ભાઈઓને જોયા ત્યારે તેણે તેમને ઓળખ્યા, પણ તેઓ જાણે કે અજાણ્યા હોય એ રીતે તે તેમની સાથે વર્ત્યો. તે તેમની સાથે કડકાઈથી બોલ્યો, “ક્યાંથી આવ્યા છો?” તેમણે જવાબ આપ્યો, “અમે કનાન દેશથી અનાજ વેચાતું લેવા આવ્યા છીએ.” યોસેફે પોતાના ભાઈઓને ઓળખ્યા, પણ તેમણે તેને ન ઓળખ્યો. યોસેફને તેમને વિશે આવેલાં સ્વપ્નો યાદ આવ્યાં. તેણે કહ્યું, “તમે જાસૂસ છો, અને અમારા દેશના નબળા પાસાની બાતમી કાઢવા આવ્યા છો.” તેમણે જવાબ આપ્યો, “ના સાહેબ, અમે તમારા દાસો તો ખરેખર અનાજ ખરીદવા આવ્યા છીએ. અમે બધા એક જ માણસના દીકરા છીએ. અમે જાસૂસ નથી, પણ પ્રામાણિક માણસો છીએ.” યોસેફે તેમને કહ્યું, “ના, ના, તમે તો અમારા દેશના નબળા પાસાની બાતમી કાઢવા આવ્યા છો.” તેમણે કહ્યું, “સાહેબ, અમે બાર ભાઈઓ છીએ. કનાન દેશના એક જ માણસના દીકરાઓ છીએ. સૌથી નાનો દીકરો અત્યારે અમારા પિતા સાથે છે, અને બીજો ભાઈ હયાત નથી.” યોસેફે જવાબ આપ્યો, “મેં કહ્યું તે પ્રમાણે તમે જાસૂસ જ છો. તેથી તમારી ક્સોટી થશે, ફેરોના સમ ખાઈને કહું છું કે તમારો સૌથી નાનો ભાઈ અહીં ન આવે ત્યાં સુધી તમે અહીંથી જઈ શકશો નહિ. તમારામાંનો એક તેને લેવા જાય, ત્યારે બાકીનાને તમે જે કહ્યું છે તે સાચું પુરવાર થાય ત્યાં સુધી જેલમાં રાખવામાં આવશે. નહિ તો, ફેરોના સમ, તમે જાસૂસ જ છો.” એમ કહીને તેણે તેમને ત્રણ દિવસ સુધી જેલમાં નાખ્યા. ત્રીજે દિવસે યોસેફે તેમને કહ્યું, “હું ઈશ્વરથી ડરીને ચાલું છું. તેથી હવે તમે આમ કરશો તો તમારા જીવ બચાવશો. જો તમે પ્રામાણિક માણસો હો તો જે ઘરમાં તમને કેદ કરવામાં આવ્યા છે તેમાં તમારામાંનો માત્ર એક જણ રહે જ્યારે બાકીના તમે જે અનાજ ખરીદ્યું છે તે તમારા દુકાળગ્રસ્ત કુટુંબ માટે લઈ જાઓ. તમારે તમારો સૌથી નાનો ભાઈ મારી પાસે લાવવો પડશે. જેથી સાબિત થાય કે તમે સત્ય બોલ્યા છો. એમ તમને મારી નાખવામાં આવશે નહિ.” તેમણે એ વાત મંજૂર રાખી. તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “આપણે આપણા ભાઈ યોસેફ પ્રત્યે કરેલા વર્તાવ સંબંધી સાચે જ દોષિત છીએ. તે આજીજી કરતો હતો અને તેનો જીવ દુ:ખી થતો હતો ત્યારે તે જોઈને આપણે તેનું સાંભળ્યું નહિ; તેથી અત્યારે આપણે આ સંકટમાં આવી પડયા છીએ.” રૂબેને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે એ છોકરા સંબંધી અપરાધ ન કરો? પણ તમે મારું સાંભળ્યું જ નહિ. હવે આપણી પાસેથી તેના રક્તનો બદલો લેવાઈ રહ્યો છે.” તેમનું બોલવું યોસેફ સમજતો હતો, પણ તેઓ તે જાણતા નહોતા. કારણ, તેઓ તેની સાથે દુભાષિયા મારફતે વાત કરતા હતા. યોસેફ તેમની પાસેથી દૂર જઈને રડયો. તે ફરી તેમની પાસે પાછો આવ્યો અને તેમની સાથે વાત કરી. પછી તેમનામાંથી શિમયોનને પકડીને તેમની સામે બાંધ્યો. યોસેફે તેમની ગૂણોમાં અનાજ ભરી આપવાનો, દરેક માણસનાં નાણાં તેની ગૂણમાં પાછાં મૂકવાનો અને મુસાફરી માટે તેમને ખોરાક આપવાનો હુકમ કર્યો. એ બધું તેમને માટે કરવામાં આવ્યું. યોસેફના ભાઈઓ ખરીદેલું અનાજ તેમનાં ગધેડાં પર લાદીને રવાના થયા. જ્યાં તેમણે રાતવાસો કર્યો તે જગ્યાએ તેમનામાંના એકે તેના ગધેડાને દાણા ખવડાવવા પોતાની ગૂણ ખોલી તો ગૂણના મોંમાં પોતાનાં નાણાં જોયાં. તેણે તેના ભાઈઓને કહ્યું, “મારું નાણું મને પાછું મળ્યું છે. તે અહીં મારી ગૂણમાં છે.” તેમનાં હૃદય હતાશ થઈ ગયાં. તેઓએ ભયથી કાંપતા કાંપતાં એકબીજા તરફ ફરીને કહ્યું, “ઈશ્વરે આપણને આ શું કર્યું?” જ્યારે તેઓ તેમના પિતા યાકોબ પાસે કનાનમાં આવ્યા ત્યારે તેમને જે કંઈ વીત્યું હતું તે બધું તેને કહ્યું. તેમણે કહ્યું, “જે માણસ તે દેશનો અધિપતિ છે તેણે અમને કઠોર શબ્દો કહ્યા, અને અમને તે દેશમાં જાસૂસ ગણ્યા. અમે તેને કહ્યું, ‘અમે પ્રામાણિક માણસો છીએ અને જાસૂસ નથી. અમે બાર ભાઈઓ છીએ, કનાનના એક જ માણસના દીકરા છીએ, એકનો પત્તો નથી ને સૌથી નાનો અત્યારે પિતા પાસે કનાન દેશમાં છે.’ પણ તે માણસે, એટલે તે દેશના અધિપતિએ અમને કહ્યું, ‘તમે આમ કરશો તો હું જાણીશ કે તમે પ્રામાણિક માણસો છો. તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો અને બાકીના તમારા દુકાળગ્રસ્ત કુટુંબને માટે અનાજ લઈને જાઓ, પછી તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવજો, ત્યારે તમે જાસૂસ નથી, પણ પ્રામાણિક છો એમ હું જાણીશ, અને હું તમને તમારો ભાઈ પાછો સોંપીશ અને તમે આ દેશમાં ધંધો રોજગાર કરી શકશો.” *** જ્યારે તેમણે ગૂણો ખાલી કરી ત્યારે દરેક માણસની નાણાંની થેલી તેની ગૂણમાં હતી, અને તેમણે નાણાંની થેલીઓ જોઈ, ત્યારે તેઓ તથા તેમના પિતા ગભરાયા. તેમના પિતા યાકોબે તેમને કહ્યું, “તમે મને છોકરા વિનાનો કરી મૂકવાના છો. યોસેફ નથી, શિમયોન પણ નથી અને હવે તમે બિન્યામીનને લઈ જવા માંગો છો! એ બધાનું દુ:ખ તો મારે વેઠવું પડે છે.” રૂબેને પોતાના પિતાને કહ્યું, “જો હું બિન્યામીનને તમારી પાસે પાછો ન લાવું તો મારા બે દીકરાને તમે મારી નાખજો. તેને મારી દેખરેખ હેઠળ મોકલી આપો, અને હું તેને પાછો લાવીશ.” પણ યાકોબે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ જ આવે. તેનો ભાઈ મરી ગયો છે, અને હવે તે જ બાકી રહ્યો છે. તમારી મુસાફરીમાં કદાચ તેના પર વિધ્ન આવી પડે તો ભારે શોક લાવીને તમે મારી આ વૃદ્ધાવસ્થામાં મારું મોત નીપજાવશો.” પણ કનાન દેશમાં દુકાળ વધુ કારમો બનતો ગયો. ઇજિપ્તમાંથી લાવેલું બધું જ અનાજ ખાતાં ખલાસ થઈ ગયું ત્યારે યાકોબે પોતાના પુત્રોને કહ્યું, “જાઓ, જઈને આપણે માટે થોડું અનાજ ખરીદી લાવો.” યહૂદાએ કહ્યું, “એ માણસે અમને સખત ચેતવણી આપી હતી કે, ‘તમારો ભાઈ તમારી સાથે ન હોય તો તમે મને મળવા પામશો નહિ.’ જો તમે અમારા ભાઈને અમારી સાથે મોકલવા તૈયાર હો તો અમે જઈને તમારે માટે અનાજ ખરીદી લાવીશું. જો તમે તેને ન મોકલો તો અમે જવાના નથી. કારણ, એ માણસે અમને કહ્યું છે, ‘તમારો ભાઈ તમારી સાથે ન હોય તો તમે મને મળવા પામશો નહિ.” ઇઝરાયેલે કહ્યું, “તમારે બીજો ભાઈ છે એવું એ માણસને કહીને તમે મને સંકટમાં કેમ મૂક્યો?” તેમણે જવાબ આપ્યો, “એ માણસે અમને આપણા કુટુંબ સંબંધી વિગતવાર પૂછપરછ કરી: ‘શું તમારા પિતા હજી જીવે છે? તમારે કોઈ ભાઈ છે?’ અને અમારે એના પ્રશ્ર્નોના જવાબ આપવા પડયા. અમને શી ખબર કે તે અમારી સાથે અમારા ભાઈને લઈ જવાનું કહેશે?” વળી, યહૂદાએ પોતાના પિતા ઇઝરાયલને કહ્યું, “છોકરાને મારી સાથે મોકલો તો અમે ઉપડીએ. જેથી આપણે સૌ એટલે તમે, અમારાં છોકરાં અને અમે જીવતાં રહીએ, અને મરી જઈએ નહિ. હું તેનો જામીન થાઉં છું, જો હું તેને તમારી પાસે સહીસલામત પાછો ન લાવું તો તમારી સમક્ષ આખા જીવનભર તેનો દોષ મારે શિર રહો. જો અમે રોકાયા ન હોત તો અત્યાર સુધીમાં તો અમે ત્યાં બે વાર જઈને પાછા આવ્યા હોત.” તેમના પિતા ઇઝરાયલે તેમને કહ્યું, “જો એમ જ હોય તો આમ કરો, તમે એ માણસને માટે તમારી ગૂણોમાં દેશની ઉત્તમ પેદાશ એટલે થોડો ગુગળ, થોડું મધ, સુગંધી દ્રવ્યો, બોળ, પિસ્તાં અને બદામ લઈ જાઓ. તમારી સાથે બમણાં નાણાં લઈ જાઓ. કારણ, તમારી ગૂણોના મોંમાં મળેલાં નાણાં તમારે પાછાં લઈ જવા પડશે. કદાચ કંઈક ભૂલથાપ થઈ હશે. તમારા ભાઈને સાથે લો, તૈયાર થાઓ, ને એ માણસ પાસે પાછા જાઓ. સર્વસમર્થ ઈશ્વર તમને એ માણસની દૃષ્ટિમાં દયા પમાડો, જેથી તે તમને, બીજા ભાઈને તથા બિન્યામીનને પાછા મોકલે. પછી ભલે મારે મારાં બાળકો ગુમાવવાં પડે.” તેથી એ માણસોએ બક્ષિસો અને બમણાં નાણાં લીધાં અને સાથે બિન્યામીનને પણ લીધો. તેઓ તૈયાર થઈને ઇજિપ્તમાં ગયા, અને ત્યાં યોસેફ સમક્ષ હાજર થયા. યોસેફે તેમની સાથે બિન્યામીનને જોયો ત્યારે તેણે તેના ઘરના કારભારીને કહ્યું, “આ માણસોને ઘરમાં લઈ જા, અને એક પ્રાણી કાપીને ભોજન તૈયાર કર, કારણ, બપોરે આ માણસો મારી સાથે જમશે.” કારભારીએ યોસેફને કહ્યા પ્રમાણે કર્યું, અને એ માણસોને યોસેફને ઘેર લાવ્યો. તેમને તેના ઘેર લાવવામાં આવ્યા ત્યારે એ માણસો ગભરાયા અને વિચારવા લાગ્યા, “પહેલીવાર આપણી ગૂણોમાં પાછાં મળેલાં નાણાંને લીધે જ આપણને અહીં લાવવામાં આવ્યા છે. તેઓ લાગ જોઈને આપણી પર ઓચિંતો હુમલો કરશે, આપણને ગુલામ બનાવી દેશે અને આપણાં ગધેડાં લઈ લેશે.” તેથી ઘરને બારણે આવી પહોંચ્યા ત્યારે તેમણે યોસેફના ઘરના કારભારીને કહ્યું, “સાહેબ, અમે અગાઉ અહીં અનાજ ખરીદવા આવ્યા હતા, જ્યારે અમે અમારા ઉતારાએ પહોંચ્યા અને અમારી ગૂણો ઉઘાડી તો પ્રત્યેક માણસનાં નાણાં તેની ગૂણનાં મોંમાં હતાં! એ બધાં નાણાં અમારાં જ હતાં અને તેનું વજન પણ બરાબર થયું. અમે તે નાણાં અમારી સાથે પાછાં લાવ્યાં છીએ. અનાજ ખરીદવા માટે અમે વધારાના પૈસા પણ લાવ્યા છીએ. અમારી ગૂણોમાં કોણે અમારાં નાણાં પાછાં મૂક્યાં તેની અમને ખબર નથી.” કારભારીએ કહ્યું, “ચિંતા કરશો નહિ કે ગભરાશો નહિ. તમારા અને તમારા પિતાના ઈશ્વરે એ નાણાં તમારે માટે તમારી ગૂણોમાં મૂકાવ્યાં હશે. તમારા પહેલીવારના પૈસા મને મળી ચૂક્યા છે.” પછી તે તેમની પાસે શિમયોનને લાવ્યો. તેમના પગ ધોવા માટે તેણે તેમને પાણી આપ્યું અને ગધેડાને ચારો નીર્યો. બપોરે યોસેફના આગમન સમયે યોસેફના ભાઈઓએ તેને માટે બક્ષિસો તૈયાર રાખી, કારણ, તેમણે સાંભળ્યું હતું કે તેમણે તેની સાથે જમવાનું છે. યોસેફ ઘેર આવ્યો ત્યારે તેઓ તેની પાસે ઘરમાં પોતાની બક્ષિસો લાવ્યા, અને ભૂમિ સુધી નમીને તેની આગળ નમ્યા. તેણે તેમના સમાચાર પૂછયા, અને પછી પૂછયું, “તમારા વૃદ્ધ પિતા જેમને વિષે તમે મને કહ્યું હતું તે કેમ છે? શું તે હજી જીવે છે, અને કુશળ છે?” તેમણે જવાબ આપ્યો, “તમારો દાસ, અમારા પિતાજી કુશળ છે અને હજી જીવે છે.” અને તેઓ તેની આગળ ધૂંટણિયે પડીને નમ્યા. યોસેફે પોતાના સગા ભાઈ બિન્યામીનને જોઈને કહ્યું, “આ તમારો સૌથી નાનો ભાઈ, જેને વિષે તમે મને કહ્યું હતું તે જ છે ને? ભાઈ, ઈશ્વર તને આશિષ આપો.” 5છી યોસેફ ત્યાંથી ઉતાવળે જતો રહ્યો, કારણ, તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું અને તે રડી પડવામાં હતો. તેથી તે પોતાની ઓરડીમાં જઈને ત્યાં રડયો. પછી મોં ધોઈને તે બહાર આવ્યો, અને પોતાના મન પર કાબૂ રાખીને ભોજન પીરસવાનો હુકમ કર્યો. યોસેફને જુદું પીરસવામાં આવ્યું, અને તેના ભાઈઓને બીજા મેજ પર પીરસવામાં આવ્યું, તેની સાથે જમનારા ઇજિપ્તીઓને પણ અલગ પીરસવામાં આવ્યું. કારણ, ઇજિપ્તીઓ હિબ્રૂઓ સાથે જમવા બેસતા નથી. હિબ્રૂ લોકો સાથે જમવા બેસવાનું તેઓ શરમજનક ગણે છે. યોસેફના ભાઈઓને તેમની ઉંમરના ક્રમ પ્રમાણે મોટાથી શરૂ કરી સૌથી નાના સુધી તેની સામેના મેજ પર બેસાડવામાં આવ્યા. તેથી તેઓ એકબીજા સામે આશ્ર્વર્યચકિત થઈ જોવા લાગ્યા. તેમને યોસેફના મેજ પરથી વાનગીઓ પીરસવામાં આવી, બીજા ભાઈઓ કરતાં બિન્યામીનને પાંચ ગણું વધારે પીરસવામાં આવ્યું. એમ તેમણે તેની સાથે મિજબાની માણી અને દ્રાક્ષાસવ પીને મસ્ત થયા. યોસેફે તેના ઘરના કારભારીને આવી સૂચના આપી: “આ માણસો લઈ જઈ શકે તેટલું અનાજ તેમની ગૂણોમાં ભર, અને પ્રત્યેક માણસના નાણાં તેની ગૂણના મોંમાં મૂક. સૌથી નાના ભાઈની ગૂણના મોંમાં મારો ચાંદીનો પ્યાલો તેના અનાજના નાણાં સહિત મૂક.” તેણે યોસેફના કહેવા પ્રમાણે કર્યું. સવાર થતાંની સાથે એ માણસોને તેમનાં ગધેડાં સાથે વિદાય કરવામાં આવ્યા. તેઓ શહેરથી હજી થોડે જ દૂર ગયા હશે એવામાં યોસેફે પોતાના ઘરના કારભારીને કહ્યું, “જા, એ માણસોનો પીછો કર. તું તેમને પકડી પાડીને કહેજે, “તમે ભલાને બદલે ભૂંડું કેમ કર્યું? મારો શેઠ જેમાંથી પીએ છે, અને જેના દ્વારા તે શુકન જુએ છે તે શું એ પ્યાલો નથી? આ તો તમે ભૂંડું કર્યું છે.” કારભારીએ તેમને પકડી પાડયા અને તેમને એમ જ કહ્યું. તેમણે તેને જવાબ આપ્યો, “શું કહો છો, સાહેબ? અમે તમારા દાસો તો એવું કરવાનો વિચાર સરખોય શા માટે કરીએ? તમે જાણો છો કે અમારી ગૂણોના મોંમાંથી મળી આવેલું નાણું અમે કનાન દેશથી તમારી પાસે પાછું લાવ્યા હતા. તો પછી તમારા માલિકના ઘરમાંથી અમે રૂપું કે સોનું શા માટે ચોરીએ? સાહેબ, અમારામાંથી જેની પાસેથી એ મળી આવે તે માર્યો જાય, અને બાકીના અમે તમારા ગુલામ બનીશું.” તેણે કહ્યું, “તો તમે કહો છો તેમ થાઓ. પણ તમારામાંના જેની પાસેથી પ્યાલો મળશે, તે અમારો ગુલામ થશે; બાકીના નિરપરાધી ઠરશો.” તેથી તેમણે તરત જ પોતાની ગૂણો જમીન પર ઉતારી, અને દરેકે પોતાની ગૂણ ખોલી. યોસેફના કારભારીએ મોટાંથી શરૂ કરીને નાના સુધી સૌની ગૂણોની ઝડતી લીધી અને બિન્યામીનની ગૂણમાંથી પ્યાલો મળી આવ્યો. તેમણે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં, ગધેડાં પર સામાન પાછો મૂક્યો અને શહેરમાં પાછા આવ્યા. યહૂદા અને તેના ભાઈઓ યોસેફને ઘેર આવ્યા ત્યારે તે ત્યાં જ હતો. તેમણે ભૂમિ સુધી નમીને તેને પ્રણામ કર્યા. યોસેફે કહ્યું, “તમે આ કેવું કામ કર્યું? શું તમને ખબર નહોતી કે મારા જેવો શુકન જોનાર માણસ તમને પકડી પાડશે?” યહૂદાએ કહ્યું, “સાહેબ, શું કહીએ? અમે કેવી રીતે દલીલ કરીએ? કેવી રીતે અમે પોતાને નિર્દોષ જાહેર કરી શકીએ? સાહેબ, ઈશ્વરે અમારું પાપ ઉઘાડું પાડયું છે. સાહેબ, હવે માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો છે તે જ નહિ, પણ અમે બધા જ તમારા ગુલામ છીએ.” યોસેફે કહ્યું, “ના, ના, મારે એવું કરવું નથી. માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો તે જ મારો ગુલામ થશે. બાકીના તમારા પિતાની પાસે સહીસલામત પાછા જઈ શકો છો.” યહૂદા યોસેફ પાસે ગયો અને કહ્યું, “સાહેબ, મહેરબાની કરીને મને તમારી સાથે થોડીક અંગત વાત કરવા દો. મારા પર ગુસ્સે થશો નહિ, તમે તો ફેરો સમાન છો. સાહેબ, તમે તમારા આ દાસોને પૂછયું હતું કે, શું તમારે પિતા અથવા ભાઈ છે? અને અમે તમને કહ્યું હતું કે અમારે વૃદ્ધ પિતા છે અને એક નાનો ભાઈ છે, જે એમની પાછલી ઉંમરમાં જન્મ્યો હતો. એનો ભાઈ મરી ગયો છે એટલે એની માતાના છોકરામાંથી તે એકલો જ બાકી રહ્યો છે. અને એના પિતાને ઘણો પ્રિય છે. ત્યારે તમે આ તમારા દાસોને કહ્યું હતું, ‘તેને મારી પાસે લઈ આવો એટલે હું તેને જોઉં તો ખરો.’ અમે તમને કહ્યું હતું, ‘એ છોકરો પિતાને મૂકીને આવી શકે તેમ નથી, કારણ, એ જો પિતાને મૂકીને આવે તો તેના પિતા મૃત્યુ પામે!’ ત્યારે તમે તમારા આ દાસોને કહ્યું હતું, ‘તમારો સૌથી નાનો ભાઈ તમારી સાથે ન આવે તો તમે મને મળવા પામશો નહિ.’ અમે તમારા સેવક, અમારા પિતા પાસે ગયા ત્યારે તેમને તમારા શબ્દો કહી સંભળાવ્યા. જ્યારે અમારા પિતાએ કહ્યું, ‘પાછા જાઓ અને આપણે માટે થોડું અનાજ ખરીદી લાવો.’ જયારે અમે કહ્યું, ‘અમે જઈશું નહિ, અમારો સૌથી નાનો ભાઈ અમારી સાથે ન હોય તો અમે એ માણસને મળી શકીએ તેમ નથી.’ ત્યારે તમારા સેવક અમારા પિતાએ અમને કહ્યું, ‘તમે જાણો છો કે મારી પત્ની રાહેલને બે પુત્રો જન્મ્યા હતા, એક ખોવાઈ ગયો ત્યારે મેં કહ્યું કે એને જરૂર કોઈ જંગલી જનાવરે ફાડી ખાધો હશે અને ત્યારથી મેં તેને ફરી જોયો નથી. જો તમે મારા આ પુત્રને પણ મારી પાસેથી લઈ જાઓ અને તેને કંઈ નુક્સાન થાય તો તેના શોકને લીધે તમે મને મારી વૃદ્ધાવસ્થામાં મૃત્યુલોક શેઓલમાં ઉતારી દેશો!’ એટલે, હું જો તમારા દાસ મારા પિતા પાસે જાઉં અને આ છોકરો અમારી સાથે ન હોય તો આ છોકરાના જીવમાં તેમનો જીવ પરોવાઈ ગયો હોવાથી તે અમારી સાથે નથી એવું જાણતાની સાથે જ તે મૃત્યુ પામશે અને તમારા આ દાસો તમારા દાસ અમારા પિતાને એના શોકથી વૃદ્ધાવસ્થામાં મૃત્યુલોક શેઓલમાં ઉતારી દેશે. વાત એમ છે કે હું મારા પિતાજી આગળ આ છોકરાને માટે જામીન થયો છું. મેં તેમને કહ્યું છે કે જો હું તેને તમારી પાસે પાછો ન લાવું તો મારા આખા જીવનભર તમારી સમક્ષ તેનો દોષ મારે શિર રહે. હવે સાહેબ, મારી વિનંતી છે કે છોકરાના બદલામાં મને તમારા ગુલામ તરીકે અહીં રહેવા દો, પણ એને મારા ભાઈઓ સાથે પાછો જવા દો. મારી સાથે આ છોકરો ન હોય, તો હું શી રીતે મારા પિતા પાસે જઈ શકું? મારા પિતા પર આવી પડનાર વિપત્તિ મારાથી જોઈ જશે નહિ.” યોસેફ તેની તહેનાતમાં ઊભા રહેલા નોકરો આગળ પોતાના મન પર વધુ સમય કાબૂ રાખી શકાયો નહિ. તેથી તેણે મોટેથી કહ્યું, “બધા બહાર જાઓ.” યોસેફે તેના ભાઈઓને પોતાની ઓળખ આપી ત્યારે ત્યાં તેની સાથે કોઈ નહોતું. તે પોક મૂકીને રડયો, અને ઇજિપ્તીઓએ એ રુદન સાંભળ્યું અને તેના સમાચાર ફેરોના રાજમહેલમાં પહોંચી ગયા. યોસેફે પોતાના ભાઈઓને કહ્યું, “હું યોસેફ છું! શું મારા પિતા હજી જીવે છે?” એ યોસેફ છે એવું જાણતાં જ તેના ભાઈઓ એવા તો ડઘાઈ ગયા કે તેઓ કંઈ પ્રત્યુત્તર આપી શકાયા નહિ. પછી યોસેફે કહ્યું, “અહીં મારી નજીક આવો.” તેઓ તેની નજીક ગયા એટલે તેણે કહ્યું, “હું યોસેફ, તમારો ભાઈ, જેને તમે ઇજિપ્તમાં વેચી દીધો હતો તે જ છું. તો હવે ગભરાશો નહિ. વળી, તમે મને અહીં વેચી દીધો તે માટે મનમાં દુ:ખી થશો નહિ, કે પોતાને દોષિત ઠરાવશો નહિ. એ તો ઈશ્વરે જ મને બધા લોકના જીવ બચાવવા તમારી પહેલાં અહીં મોકલ્યો. ધરતી પર દુકાળનું આ બીજું જ વર્ષ છે, હજી બીજાં પાંચ વર્ષ બાકી છે, તેમાં વાવણી કે કાપણી થવાની નથી. તમારો વંશવેલો ચાલુ રહે એટલા જ માટે ઈશ્વરે મને તમારી પહેલાં મોકલ્યો. ઘણાને બચાવી લેવા અને જીવતા રાખવા મને મોકલવામાં આવ્યો હતો. માટે તમે તો નહિ, પણ ઈશ્વરે મને અહીં મોકલ્યો, અને તેમણે મને ફેરોના પિતા સમાન અને તેના આખા રાજમહેલનો અધિકારી તથા સમગ્ર ઇજિપ્તનો અધિકારી બનાવ્યો છે. “હવે મારા પિતાજી પાસે જલદી જઈને તેમને કહો કે તમારા દીકરા યોસેફે આવું કહેવડાવ્યું છે: ‘ઈશ્વરે મને આખા ઇજિપ્તનો અધિપતિ બનાવ્યો છે, તમે હવે વિના વિલંબે મારી પાસે આવો. તમે, તમારાં છોકરાં, તમારાં છોકરાંના છોકરાં, તમારાં ઘેટાંબકરાં, તમારાં ઢોરઢાંક અને તમારા સૌ કોઈ અહીં ગોશેન પ્રાંતમાં મારી નજીક રહેજો, જેથી હું તમારા ભરણપોષણની બધી જોગવાઈ કરી શકું. એમ તમે, તમારું કુટુંબ તથા તમારાં ઢોરઢાંકને ભૂખમરો વેઠવાનો વારો આવે નહિ, કારણ, દુકાળનાં હજી બીજાં પાંચ વર્ષ બાકી છે. તમે અને મારો સગો ભાઈ બિન્યામીન નજરોનજર જોઈ રહ્યા છો કે હું યોસેફ પોતે તમારી સાથે વાત કરી રહ્યો છું. વળી, અહીં ઇજિપ્તમાંનો મારો વૈભવ તથા તમે જે જે જોયું તેનો પૂરો અહેવાલ મારા પિતાને આપજો, અને મારા પિતાને અહીં જલદી લઈને આવો.” પછી તે પોતાના ભાઈ બિન્યામીનના ગળે વળગી પડીને રડયો, અને બિન્યામીન પણ તેને વળગીને રડયો. પછી તેણે પોતાના બધા ભાઈઓને ચુંબન કર્યું, ને તેમને ભેટીને રડયો. તે પછી તેના ભાઈઓએ તેની સાથે વાત કરી. ફેરોના રાજમહેલમાં વાત પ્રસરી ગઈ કે યોસફના ભાઈઓ આવ્યા છે. ત્યારે ફેરો અને તેના અધિકારીઓને એ વાત સારી લાગી. ફેરોએ યોસેફને કહ્યું, “તું તારા ભાઈઓને આમ કરવા જણાવ: તમારાં જનાવરો પર સામાન લાદીને કનાન દેશમાં પાછા જાઓ. અને તમારા પિતાને તથા તમારાં કુટુંબોને મારી પાસે લઈ આવો, હું તમને ઇજિપ્તની ઉત્તમ જમીન આપીશ અને તમે દેશની ઉત્તમ પેદાશ ખાઈને તૃપ્ત થશો.” વળી, ફેરોએ યોસેફને સૂચના આપી કે, “તારા ભાઈઓને આમ જણાવ: તમે તમારાં છોકરાં અને તમારી સ્ત્રીઓ માટે ઇજિપ્તમાંથી ગાડાં લઈ જાઓ અને તમારા પિતાને લઈ આવો. તમારી મિલક્તની ચિંતા કરશો નહિ, કારણ, આખા ઇજિપ્તની સર્વ શ્રેષ્ઠ વસ્તુઓ તમારી જ છે.” ઇઝરાયલના પુત્રોએ એ પ્રમાણે કર્યું. ફેરોની સૂચના પ્રમાણે યોસેફે તેમને ગાડાં આપ્યાં અને મુસાફરી માટે ખોરાક પણ આપ્યો. તેણે દરેકેને એક જોડ કપડાં આપ્યાં, પણ બિન્યામીનને ચાંદીના ત્રણસો સિક્કા તથા પાંચ જોડ કપડાં આપ્યાં. વળી, પોતાના પિતા માટે આ બધી વસ્તુઓ મોકલી: ઇજિપ્તની ઉત્તમ વસ્તુઓમાંથી લાદેલાં દસ ગધેડાં, પોતાના પિતાની મુસાફરી માટે અનાજ, રોટલી તથા ખોરાકથી લાદેલી દસ ગધેડીઓ. તેણે પોતાના ભાઈઓને વિદાય આપતાં કહ્યું, “જો,જો, રસ્તે ઝઘડી પડતા નહિ.” પછી તેઓ ઇજિપ્તથી વિદાય થયા અને કનાનમાં તેમના પિતા યાકોબ પાસે આવ્યા. તેમણે કહ્યું, “યોસેફ હજી જીવે છે. અરે, એ તો આખા ઇજિપ્તનો અધિપતિ છે.” યાકોબ તો સ્તબ્ધ થઈ ગયો, અને તેમનું કહેવું માની શકાયો નહિ. પણ યોસેફે તેમને જે કહ્યું હતું તે બધું તેમણે તેને કહ્યું. યાકોબે તેને ઇજિપ્તમાં લઈ જવા આવેલાં ગાડાં જોયાં ત્યારે તે હોશમાં આવ્યો. પછી ઇઝરાયલે કહ્યું, “હાશ, મારો દીકરો યોસેફ જીવે છે! હવે તો મારું મરણ થાય તે પહેલાં મારે તેને જઈને જોવો છે.” ઇઝરાયલ એટલે યાકોબ પોતાની સઘળી સંપત્તિ સાથે નીકળ્યો. બેરશેબામાં આવી પહોંચતાં તેણે પોતાના પિતા ઇસ્હાકના ઈશ્વરને બલિદાન ચડાવ્યું. ઈશ્વરે ઇઝરાયેલને રાત્રે દર્શન દઈને કહ્યું, “યાકોબ, યાકોબ.” યાકોબે કહ્યું, “જી, હું આ રહ્યો!” ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “હું ઈશ્વર, તારા પિતાનો ઈશ્વર છું. ઇજિપ્તમાં જતાં ગભરાઈશ નહિ. કારણ, તારામાંથી હું ત્યાં એક મોટી પ્રજાનું નિર્માણ કરીશ. હું તારી સાથે ઇજિપ્ત આવીશ અને હું તારા વંશજોને પાછા પણ લાવીશ. યોસેફનો હાથ તારી આંખો મીંચશે.” પછી યાકોબ બેરશેબાથી નીકળ્યો. ઇઝરાયલના પુત્રોએ પોતાના પિતા યાકોબને, પોતાનાં બાળકોને તથા પોતાની પત્નીઓને ફેરોએ મોકલેલાં ગાડાંમાં બેસાડયાં. તેઓ તેમનાં બધાં ઢોરઢાંક અને કનાન દેશમાં મેળવેલી બધી સંપત્તિ લઈને ઇજિપ્ત આવી પહોંચ્યા. યાકોબ પોતાનું સમગ્ર કુટુંબ એટલે પોતાના પુત્રો તથા પૌત્રો અને પુત્રીઓ તથા પૌત્રીઓને લઈને ઇજિપ્તમાં આવ્યો. યાકોબની સાથે ઇજિપ્તમાં આવનાર ઇઝરાયલીઓનાં એટલે, યાકોબ તથા તેના પુત્રોનાં નામ આ પ્રમાણે છે: યાકોબનો જયેષ્ઠ પુત્ર રૂબેન રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લૂ, હેસરોન અને કાર્મી શિમયોનના પુત્રો: યમૂએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને કનાની સ્ત્રીથી જન્મેલો શાઉલ. લેવીના પુત્રો: ગેર્શોમ, કહાથ અને મરારી. યહૂદાના પુત્રો: એર, ઓનાન, શેલા પેરેસ અને ઝેરા. પણ એર અને ઓનાન તો કનાનમાં જ મૃત્યુ પામ્યા હતા. પેરેસના પુત્રો: હેસરોન અને હામૂલ. ઇસ્સાખારના પુત્રો: તોલા, પુવા, યાશુબ અને શિમ્રોન. ઝબુલૂનના પુત્રો: સેરેદ, એલોન અને યાહલએલ. એ સર્વ લેઆહનાં સંતાનો છે, તે બધા તેને યાકોબથી મેસોપોટિમિયામાં જન્મ્યા હતા. વળી, તેની પુત્રી દીના હતી. એકંદરે તેમના પુત્રો-પુત્રીઓની સંખ્યા તેત્રીસની હતી. ગાદના પુત્રો: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી, આરએલી. આશેરના પુત્રો: યિમ્ના, યિસ્વા, યિસ્વી, બરીઆ અને તેમની બહેન સેરા. બરીઆના પુત્રો: હેબેર અને માલ્કીએલ. લાબાને પોતાની પુત્રી લેઆહને આપેલી દાસી ઝિલ્પાને યાકોબથી થયેલાં એ સંતાનો છે. એકંદરે તેમની સંખ્યા સોળ હતી. યાકોબની પત્ની રાહેલના પુત્રો: યોસેફ અને બિન્યામીન. યોસેફે ઇજિપ્ત દેશમાં ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથ સાથે લગ્ન કર્યાં અને તેનાથી મનાશ્શા અને એફ્રાઈમ થયા. બિન્યામીનના પુત્રો: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ અને આર્દ. આ રાહેલને યાકોબથી થયેલાં સંતાનો છે. તેમની કુલ સંખ્યા ચૌદ હતી. દાનનો પુત્ર હુશીમ. નાફતાલીના પુત્રો: યાહસએલ, ગૂની, યેસર અને શિલ્લેમ. લાબાને પોતાની પુત્રી રાહેલને આપેલી દાસી બિલ્હાને યાકોબથી થયેલાં એ સંતાનો છે. તેમની કુલ સંખ્યા સાતની હતી. યાકોબની સાથે ઇજિપ્તમાં આવનાર તેનાં પોતાનાં સંતાનોમાં એના પુત્રોની પત્નીઓને બાદ કરતાં કુલ છાસઠ જણ હતા. યોસેફને ઇજિપ્તમાં બે પુત્રો થયા હતા. યાકોબના કુટુંબના જે બધા ઇજિપ્તમાં આવ્યા તેમની કુલ સંખ્યા સિત્તેર હતી. ઇઝરાયલે યહૂદાને પોતાની આગળ યોસેફ પાસે મોકલ્યો, જેથી યોસેફ તેને ગોશેનમાં મળે. તેઓ ગોશેનમાં આવ્યા. ત્યારે યોસેફ પોતાનો રથ તૈયાર કરાવીને પોતાના પિતા ઇઝરાયલને મળવા ગોશેન ગયો. યાકોબને મળતાં જ યોસેફ તેના પિતા યાકોબને ગળે વળગી પડયો અને તેને ભેટીને લાંબો વખત રડયો. ઇઝરાયલે યોસેફને કહ્યું, “હવે મેં તને જીવતો જોયો છે, એટલે ભલે મારું મરણ થાય.” પછી યોસેફે પોતાના ભાઈઓને અને પોતાના પિતાના પરિવારને કહ્યું, “હું જઈને ફેરોને ખબર આપું છું કે કનાન દેશમાં રહેતા મારા ભાઈઓ અને મારા પિતાના પરિવારના માણસો મારી પાસે આવી પહોંચ્યા છે. તેઓ પશુપાલકો છે અને ઢોર પાળે છે. તેઓ પોતાનાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક તેમ જ બધી માલમિલક્ત લઈને આવ્યા છે. તમને ફેરો બોલાવીને પૂછે કે, ‘તમે શો ધંધો કરો છો?’ ત્યારે તમે કહેજો કે, ‘તમારા દાસોનો એટલે અમારો તેમ જ અમારા પૂર્વજોનો ધંધો ઢોર પાળવાનો છે; નાનપણથી અત્યાર સુધી અમે એ જ ધંધો કરીએ છીએ.’ એમ તમને ગોશેન દેશમાં વસવાની પરવાનગી મળશે. કારણ, ઇજિપ્તીઓ પશુપાલકમાત્રને ધિક્કારે છે.” પછી યોસેફે ફેરો પાસે જઈને તેને પૂછયું, “મારા પિતા અને મારા ભાઈઓ પોતાનાં ઘેટાંબકરાં, ઢોરઢાંક તથા તેમની સઘળી સંપત્તિ લઈને કનાન દેશથી આવ્યા છે અને અત્યારે તેઓ ગોશેન પ્રદેશમાં છે. પોતાના ભાઈઓમાંથી પાંચને તેણે ફેરો આગળ રજૂ કર્યા. ફેરોએ તેમને પૂછયું, “તમે શો ધંધો કરો છો?” ત્યારે તેમણે ફેરોને કહ્યું, “તમારા દાસો એટલે અમે તથા અમારા પૂર્વજો પશુપાલક છીએ. કનાન દેશમાં સખત દુકાળ પડયો છે, એટલે અમારાં ઘેટાંબકરાં માટે ત્યાં ઘાસચારો નથી. તેથી અમે આ દેશમાં વસવા આવ્યા છીએ. હવે તમારા દાસો પર કૃપા કરી અમને ગોશેન પ્રદેશમાં વસવા દો.” ત્યારે ફેરોએ યોસેફને કહ્યું, “તારા પિતા અને તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે. તારી સમક્ષ આખો ઇજિપ્ત દેશ છે. તારા પિતાને અને તારા ભાઈઓને દેશમાં ઉત્તમ જગ્યામાં વસાવ. તેઓ ભલે ગોશેન પ્રદેશમાં વસે, અને તેમનામાંથી કોઈ કાબેલ માણસો તારા ધ્યાનમાં હોય તો તેમને મારાં ઢોર પણ સાચવવા માટે સોંપી દે.” પછી યોસેફ પોતાના પિતા યાકોબને લઈ આવ્યો અને તેને ફેરો સમક્ષ રજૂ કર્યો. યાકોબે ફેરોને આશિષ આપી. ફેરોએ યાકોબને પૂછયું, “તમારી ઉંમર કેટલી છે?” યાકોબે કહ્યું, “મારા જિંદગીના પ્રવાસમાં મારે 130 વર્ષ થયાં છે. એ વર્ષો છે તો થોડાં, પણ ઘણા દુ:ખમાં વીતાવ્યાં છે. મારા પિતૃઓના પ્રવાસના વર્ષો જેટલાં વર્ષો મારે થયાં નથી.” પછી ફેરોને આશિષ આપી તે ત્યાંથી વિદાય થયો. યોસેફે પોતાના પિતાને તથા ભાઈઓને ફેરોની આજ્ઞા અનુસાર ઇજિપ્ત દેશની સૌથી ઉત્તમ જગ્યા એટલે રામસેસમાં વસાવ્યા. યોસેફે પોતાના પિતાને અને ભાઈઓને અને પોતાના પિતાના સમગ્ર પરિવારને સભ્યોની સંખ્યાના પ્રમાણમાં અન્‍ન પૂરું પાડયું. આખા દેશમાં અનાજ મળતું નહોતું. કારણ, દુકાળ બહુ ભારે હતો. દુકાળને લીધે ઇજિપ્ત અને કનાન એ બન્‍ને દેશોના લોકો ખૂબ પરેશાન થયા. ઇજિપ્ત અને કનાન દેશના લોકોએ અનાજ ખરીદવા આપેલા બધા પૈસા યોસેફે એકઠા કરીને ફેરોના રાજભંડારમાં જમા કરાવ્યા. ઇજિપ્ત અને કનાન દેશના લોકો પાસે બધા પૈસા વપરાઈ ગયા ત્યારે ઇજિપ્તના બધા રહેવાસીઓએ યોસેફ પાસે આવીને કહ્યું, “અમે તમારી નજર આગળ માર્યા જઈએ એવું તમે ઇચ્છતા ન હો તો અમને અનાજ આપો. કારણ, અમારી પાસે હવે પૈસા તો રહ્યા જ નથી.” ત્યારે યોસેફે જવાબ આપ્યો, “પૈસા ખલાસ થઈ ગયા હોય તો તમારાં ઢોર આપો, હું તમને ઢોરના બદલામાં અનાજ આપીશ.” એટલે તેઓ પોતાનાં ઢોર લઈને યોસેફ પાસે આવ્યા. અને યોસેફે ઘોડા, ઘેટાં, બકરાં, ઢોર અને ગધેડાંના બદલામાં તેમને અનાજ આપ્યું. આમ, તે વર્ષે તેણે તેમનાં બધાં ઢોરના બદલામાં અનાજ પૂરું પાડયું. તે વર્ષ પૂરું થયું એટલે પછીને વર્ષે લોકોએ આવીને યોસેફને કહ્યું, “અમારા માલિક, તમારાથી આ વાત છુપાવી શકાય એમ નથી કે અમારા પૈસા ખલાસ થઈ ગયા છે અને અમારાં ઢોર પણ તમારી માલિકીનાં થઈ ગયાં છે. હવે તો માલિક તમારે માટે અમારી જાત અને જમીન સિવાય કંઈ જ બાકી રહ્યું નથી. શું અમે તમારી નજર આગળ જ ખતમ થઈ જઈશું! શું અમારી જમીનો પણ ધણી વગરની થઈ જશે? અનાજના બદલામાં તમે અમને અને અમારી જમીનોને ખરીદી લો. એટલે અમે તથા અમારી જમીનો ફેરોના તાબામાં રહીશું. અમને બિયારણ આપો, જેથી અમે મરી ન જઈએ પણ જીવતા રહીએ, વળી, અમારી જમીનો પણ વેરાન થઈ જાય નહિ.” તેથી યોસેફે ઇજિપ્તની બધી જમીનો ફેરોને માટે ખરીદી લીધી. દુકાળ એટલો ભીષણ હતો કે બધા ઇજિપ્તીઓએ પોતાની જમીનો વેચી દીધી. દેશની બધી જમીન ફેરોની થઈ ગઈ. તેણે દેશના એક છેડાથી બીજા છેડા સુધીના બધા લોકોને ફેરાના તાબેદાર બનાવી દીધા. માત્ર યજ્ઞકારોની જમીન તેણે ખરીદી નહિ. કારણ, યજ્ઞકારોને તો ફેરો તરફથી નિયત હિસ્સો મળતો હતો અને ફેરોએ આપેલા હિસ્સા પર તેઓ પોતાનું ગુજરાન ચલાવતા. તેથી તેમણે જમીન વેચવી પડી નહિ. પછી યોસેફે લોકોને કહ્યું, “જુઓ, આજે મેં ફેરોને માટે તમને તથા તમારી જમીનો ખરીદી લીધાં છે. તો હવે આ બિયારણ લઈ જાઓ અને વાવણી કરો. કાપણીના સમયે તમારે પાકનો પાંચમો ભાગ ફેરોને આપવાનો રહેશે અને બાકીના ચાર ભાગ તમારી પાસે રહેશે, તેમાંથી તમે બિયારણ ઉપરાંત તમારે માટે, તમારા પરિવાર માટે અને તમારા આશ્રિતોના ખોરાક માટે વાપરજો.” તેમણે કહ્યું, “અમારા સ્વામી, તમારી કૃપાદૃષ્ટિ અમારા પર થાઓ, અમે જરૂર ફેરોના ગુલામ થઈને રહીશું.” આમ, યોસેફે ઇજિપ્તની જમીનની બાબતમાં એવો નિયમ દાખલ કરી દીધો કે ફેરોને ફસલનો પાંચમો ભાગ આપવો; અને એ નિયમ આજ સુધી ચાલુ છે. ઇઝરાયલીઓ ઇજિપ્તના ગોશેન પ્રદેશમાં રહેવા લાગ્યા અને તેમણે ત્યાં માલમિલક્ત સંપાદન કરી. તેઓ ખૂબ વૃદ્ધિ પામ્યા અને તેમની સંખ્યા ખૂબ મોટી થઈ. યાકોબ ઇજિપ્તમાં સત્તર વર્ષ જીવ્યો. એમ તેનું આયુષ્ય એક્સો સુડતાળીસ વર્ષનું થયું. જ્યારે ઇઝરાયલ એટલે યાકોબના મૃત્યુનો સમય પાસે આવ્યો ત્યારે તેણે પોતાના પુત્ર યોસેફને પાસે બોલાવીને કહ્યું, ‘હવે જો તું મારા પર પ્રસન્‍ન હોય, તો તારો હાથ મારી જાંઘ વચ્ચે મૂક અને મારી સાથે સાચા દિલથી અને નિષ્ઠાથી વર્તવાનું વચન આપ. મને ઇજિપ્તમાં દફનાવીશ નહિ, પણ હું મારા પૂર્વજો સાથે ઊંઘી જાઉં ત્યારે મને ઇજિપ્તમાંથી લઈ જઈને મારા પૂર્વજોના કબ્રસ્તાનમાં દફનાવજે.” યોસેફે કહ્યું, “તમારા કહ્યા પ્રમાણે હું કરીશ.” પણ યાકોબે કહ્યું, “તું સોગંદ ખા” એટલે તેણે તેની આગળ સોગંદ ખાધા. પછી ઇઝરાયલે પથારીના પાયાના મથાળા પર નમીને સ્તુતિ કરી. થોડા સમય પછી યોસેફને સમાચાર મળ્યા કે, “તારા પિતા બીમાર પડયા છે.” તેથી તે પોતાના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમને લઈને મળવા ગયો. જ્યારે યાકોબને કહેવામાં આવ્યું કે, “તારો દીકરો યોસેફ મળવા આવ્યો છે,” ત્યારે તે પોતાની બધી શક્તિ ભેગી કરીને પલંગ પર બેઠો થયો. પછી યાકોબે યોસેફને કહ્યું, “સર્વસમર્થ ઈશ્વરે કનાન દેશના લૂઝ શહેરમાં દર્શન દઈને મને આશિષ આપી હતી. મને કહ્યું હતું કે, ‘જો હું તારો વંશવેલો વધારીશ, તારાં સંતાનોની વૃદ્ધિ કરીશ અને તારામાંથી પ્રજાઓનાં જૂથ ઊભાં કરીશ. તારા પછી તારા વંશજોને હું આ કનાન દેશ આપીશ.’ હું ઇજિપ્તમાં આવ્યો તે પહેલા ઇજિપ્તમાં થયેલા તારા બે પુત્રો એફ્રાઈમ અને મનાશ્શા હવે મારા પુત્રો છે. તેઓ રૂબેન અને શિમયોનની જેમ મારા ગણાશે. એમના પછી તને થયેલાં બીજાં બાળકો તારાં ગણાશે, અને તેમને મળનાર વારસાનો પ્રદેશ તેમના ભાઈઓ એફ્રાઈમ અને મનાશ્શાને નામે ઓળખાશે. આ તો હું તારી મા રાહેલને લીધે કરું છું, હું મેસોપોટેમિયાથી આવતો હતો ત્યારે એફ્રાથ થોડે જ દૂર હતું ત્યારે કનાન દેશમાં રાહેલ રસ્તામાં જ મૃત્યુ પામી અને મેં તેને એફ્રાથ એટલે બેથલેહેમને રસ્તે દફનાવી.” ઇઝરાયલે યોસેફના પુત્રોને જોઈને પૂછયું, “આ કોણ છે?” યોસેફે કહ્યું, “એ તો ઈશ્વરે મને અહીં ઇજિપ્તમાં આપેલા મારા પુત્રો છે.” ઇઝરાયલે કહ્યું, “એમને મારી પાસે લાવ, એટલે હું તેમને આશિષ આપું.” હવે વૃદ્ધાવસ્થાને કારણે ઇઝરાયલની આંખોનું તેજ ઘટી ગયું હતું, એટલે તેને બરાબર દેખાતું નહોતું. આથી યોસેફ તેમને યાકોબની પાસે લઈ આવ્યો અને તેણે તેમને ભેટીને ચુંબન કર્યું. પછી ઇઝરાયલે યોસેફને કહ્યું, “મને તો હું તારું મુખ જોવા પામીશ એવીય આશા નહોતી, પણ ઈશ્વરે તો મને તારા પુત્રોનાં મોં પણ દેખાડયાં છે.” પછી યોસેફે તેમને તેના ખોળામાંથી લઈ લીધા અને ભૂમિ સુધી પોતાનું માથું નમાવીને તેણે પ્રણામ કર્યા. પછી યોસેફે પોતાના બન્‍ને પુત્રોને આગળ લાવીને એફ્રાઈમને પોતાની જમણી તરફ રાખ્યો, જેથી તે ઇઝરાયલની ડાબી બાજુએ રહે અને મનાશ્શાને પોતાની ડાબી તરફ રાખ્યો જેથી તે ઇઝરાયલની જમણી બાજુ રહે. પણ ઇઝરાયલે પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમના માથા પર મૂક્યો અને પોતાનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. મનાશ્શા જયેષ્ઠ હોવા છતાં તેણે જાણી જોઈને એમ કર્યું. તેણે યોસેફને આશિષ આપતા કહ્યું, “જે ઈશ્વરની સમક્ષતામાં મારા પિતૃઓ અબ્રાહામ અને ઇસ્હાક ચાલતા હતા, જે ઈશ્વરે મને આજ સુધી જીવનભર સંભાળ્યો છે, જે દૂતે મને બધા અનિષ્ટોમાંથી ઉગાર્યો છે, તે આ છોકરાઓને આશિષ આપો. વળી, તેઓ મારે નામે તથા મારા પિતૃઓ અબ્રાહામ અને ઇસ્હાકને નામે ઓળખાઓ અને પૃથ્વી પર તેમનો વંશ પુષ્કળ વૃદ્ધિ પામો.” યોસેફે જોયું કે તેના પિતાએ પોતાનો જમણો હાથ એફ્રાઈમના માથે મૂક્યો છે ત્યારે તેને ખોટું લાગ્યું, અને તેણે પોતાના પિતાનો હાથ પકડીને એફ્રાઈમના માથા ઉપરથી ખસેડીને મનાશ્શાના માથા પર લઈ જવા પ્રયત્ન કર્યો. યોસેફે કહ્યું, “પિતાજી, એમ નહિ, આ જયેષ્ઠ છે; જમણો હાથ તેના માથા પર મૂકો.” પણ તેના પિતાએ નકાર કરતાં કહ્યું, “દીકરા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે અને મહાન થશે, પણ એનો નાનો ભાઈ એના કરતાં પણ મોટો થશે અને તેના વંશમાં પ્રજાઓના સમુદાયનું નિર્માણ થશે.” વળી, તે દિવસે તેણે આશિષ આપતાં વિશેષમાં કહ્યું, “ઇઝરાયલીઓ તમારે નામે એકબીજાને આશિષની શુભેચ્છા પાઠવતાં કહેશે, ‘ઈશ્વર તમને એફ્રાઈમ તથા મનાશ્શા જેવા બનાવો’.” એ રીતે તેણે એફ્રાઈમને મનાશ્શાની પહેલાં મૂક્યો. પછી ઇઝરાયલે યોસેફને કહ્યું, “મારું મરણ પાસે આવ્યું છે, પણ ઈશ્વર તમારી સાથે રહેશે અને તમને ફરી તમારા પિતૃઓના દેશમાં લઈ જશે. વળી, હું તને તારા ભાઈઓ કરતાં એક ભાગ વધારે આપું છું, એટલે, મેં મારી તલવાર અને ધનુષ્યને જોરે અમોરીઓ પાસેથી જીતી લીધેલો પહાડીપ્રદેશ શખેમ આપું છું.” પછી યાકોબે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું, “તમે બધા એકત્ર થાઓ એટલે તમારા પર ભવિષ્યમાં શું શું વીતશે તે હું તમને જાહેર કરું: “યાકોબના પુત્રો, એકઠા થાઓ અને સાંભળો, તમારા પિતા ઇઝરાયલની વાત ધ્યનથી સાંભળો. “રૂબેન, તું મારો જયેષ્ઠ પુત્ર છે; મારા સામર્થ્ય અને મારા પુરુષત્વનું પ્રથમફળ છે. સન્માન અને સામર્થ્યમાં તું સર્વોત્તમ છે; પણ પૂરના પાણી જેવો અસ્થિર હોવાથી તારી ઉત્તમતા જળવાઈ રહેશે નહિ; કારણ, તેં તારા પિતાની ઉપપત્ની સાથે સમાગમ કર્યો, અને એમ તારા પિતાની પથારીને કલંક લગાડયું છે. “શિમયોન અને લેવી સગા ભાઈ છે, તેમની તલવારો હિંસાના હથિયાર છે. હું તેમની મસલતમાં સામેલ થઈશ નહિ અને તેમની સંગતમાં ભળીશ નહિ. કારણ, તેમણે પોતાના ક્રોધાવેશમાં માણસોને મારી નાખ્યા છે; પોતાના ઉન્માદમાં તેમણે આખલાની નસ કાપી નાખી છે. ધિક્કાર છે તેમના ક્રોધને, કારણ, તે વિકરાળ છે. ધિક્કાર છે તેમના રોષને, કારણ, તે ઘાતકી છે. હું તેમને યાકોબના કુટુંબમાં ફેલાવી દઈશ, હું તેમને ઇઝરાયલી લોકોમાં વિખેરી નાખીશ. “યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે, તારો હાથ તારા દુશ્મનોની ગરદન પકડશે. તારા પિતાના પુત્રો તારી આગળ નમશે. યહૂદા તો સિંહ જેવો છે. તે તો જાણે શિકાર કરીને આવ્યો છે. તે સિંહની જેમ લપાઈને બેઠો છે. એ તો સિંહણ જેવો છે; એને કોણ છંછેડે? શિલોહ ન આવે ત્યાં સુધી યહૂદા પાસેથી રાજદંડ હટી જશે નહિ. તેમ જ તેના વંશજો પાસેથી રાજ્યાધિકાર જતો રહેશે નહિ; અને બધી પ્રજાઓ તેને આધીન રહેશે. તે પોતાના ગધેડાને દ્રાક્ષવેલા સાથે બાંધે છે; પોતાની ગધેડીના વછેરાને ઉત્તમ દ્રાક્ષવેલા સાથે બાંધે છે. તે પોતાનાં વસ્ત્ર દ્રાક્ષાસવમાં ધૂએ છે અને પોતાનો પોશાક દ્રાક્ષના રસરૂપી રક્તમાં ધૂએ છે. દ્રાક્ષાસવથી તેની આંખો લાલ થઈ છે, દૂધથી તેના દાંત સફેદ થયા છે. “ઝબુલૂન દરિયાકિનારે વસશે, તે વહાણોનું બંદર બનશે, અને તેની સરહદ છેક સિદોન સુધી પહોંચશે. “ઇસ્સાખાર બળવાન ગધેડો છે તે ઘેટાંબકરાંના વાડામાં બેઠો છે. તેને તે આરામસ્થળ પ્રિય લાગ્યું, અને તે પ્રદેશ રમણીય લાગ્યો. તેથી તેણે બોજો ઉંચકવા માટે ખાંધ નમાવી અને વેઠ કરનાર દાસ બન્યો. “ઇઝરાયલનાં બીજાં કુળોની જેમ દાન પોતાની પ્રજા પર શાસન ચલાવશે. દાન તો માર્ગમાંનો સાપ છે; રસ્તાની કોરે પડેલો ઝેરી નાગ છે અને તેથી ઘોડેસ્વાર ઊછળીને પછડાય છે. હે પ્રભુ, હું તો તમારા ઉદ્ધારની રાહ જોઉં છું! “ગાદ પર હુમલાખોરો આક્રમણ કરશે, પણ તે તેમનો પીછો કરશે. “આશેર ઉત્તમ અનાજ પકવશે અને રાજવી વાનગીઓ પૂરી પાડશે. “નાફતાલી છૂટી મૂકેલી દોડતી હરણી છે, જે સુંદર બચ્ચાં જણે છે “યોસેફ ફળવંત ડાળ છે, તે ઝરા પાસેની ફળવંત ડાળ છે; તેની ડાંખળીઓ ભીત પર ચડી જાય છે તીરંદાજોએ તેના પર ઉગ્ર હુમલો કર્યો, તેમણે તેને તીર માર્યાં, અને તેની ભારે સતાવણી કરી. પણ યાકોબના સમર્થ ઈશ્વરની સહાયથી અને ઇઝરાયલના ખડક્સમા ઘેટાંપાળકના નામથી યોસેફનું ધનુષ્ય અડગ રહ્યું, અને તેના હાથ ચપળ કરાયા. તને સહાય કરનાર તો તારા પિતાના ઈશ્વર છે. સર્વસમર્થ ઈશ્વર તને ઉપરના આકાશની વૃષ્ટિની, પૃથ્વીના પેટાળના પાણીની, ઢોરઢાંકની અને સંતાનની આશિષો આપે છે. *** પ્રાચીન પર્વતો અને અચલ પહાડોની વિપુલતાની આશિષો કરતાં તારા પિતાની આશિષો વિશેષ મહાન છે. એ બધી આશિષો યોસેફના શિર પર, હા, જે પોતાના ભાઈઓથી જુદો કરાયેલો તેના મુગટ પર ઊતરો! “બિન્યામીન તો ફાડી ખાનાર વરું છે. સવારમાં તે શિકાર ખાશે, અને સાંજે તે લૂંટ વહેંચશે.” આ ઇઝરાયલનાં બાર કુળ છે. તેમના પિતાએ તેમને એમ કહીને આશિષ આપી; દરેકને તેણે તેમને અનુરૂપ આશિષ આપીશ. પછી તેણે તેમને આ આજ્ઞા આપી: “હું મારા પૂર્વજો સાથે મળી જવાનો છું. મને મારા પિતૃઓ સાથે એફ્રોન હિત્તીના ખેતરમાં આવેલી ગુફામાં દફનાવજો. એ ગુફા કનાન દેશમાં મામરેની સામે માખ્પેલાના ખેતરમાં આવેલી છે. અબ્રાહામે એ ગુફા ખેતર સહિત કબ્રસ્તાન તરીકે વાપરવા એફ્રોન હિત્તી પાસેથી ખરીદી હતી. ત્યાં જ અબ્રાહામ અને તેની પત્ની સારાને દફનાવવામાં આવ્યાં છે. ત્યાં જ ઇસ્હાક અને તેની પત્ની રિબકાને પણ દફનાવવામાં આવ્યાં છે. ત્યાં મેં લેઆહને પણ દફનાવી છે. મેં એ ખેતર ગુફા સાથે હિત્તીઓ પાસેથી ખરીદ્યું હતું.” યાકોબે પોતાના પુત્રોને એ આજ્ઞા આપી પછી તે પથારીમાં પગ લંબાવીને સૂઈ ગયો અને અવસાન પામ્યો અને પોતાના પિતૃઓ સાથે મળી ગયો. ત્યારે યોસેફ પોતાના પિતાના મુખ પર પડીને રડવા તથા ચુંબન કરવા લાગ્યો. તેણે પોતાની તહેનાતમાં રહેનાર વૈદોને પોતાના પિતાના શરીરમાં સુગંધીદ્રવ્યો ભરવાની આજ્ઞા કરી. એટલે વૈદોએ ઇઝરાયલના શરીરમાં સુગંધીદ્રવ્યો ભર્યાં. સુગંધીદ્રવ્યો ભરતાં ચાલીસ દિવસ લાગે છે. એટલે એ કાર્યમાં ચાલીસ દિવસ લાગ્યા. ઇજિપ્તીઓએ સિત્તેર દિવસ સુધી યાકોબના માનમાં શોક પાળ્યો. તેના શોકના દિવસો પૂરા થયા એટલે યોસેફે ફેરોના કુટુંબના માણસોને કહ્યું, “મારા પર તમારી રહેમનજર હોય તો તમે ફેરોને અંગત રીતે વાત કરો કે મારા પિતાએ મને સોગંદ ખવડાવીને કહેલું કે, ‘મારા મૃત્યુનો સમય પાસે આવ્યો છે. કનાન દેશમાં મેં મારે માટે જે કબર ખોદાવી છે તેમાં મને દફનાવજે.’ એટલે મહેરબાની કરીને મને રજા આપો જેથી હું ત્યાં જઈને મારા પિતાને દફનાવું, એ પછી હું પાછો આવીશ.” ફેરોએ કહ્યું, “ભલે જા, અને તારા પિતાએ તને ખવડાવેલા સોગંદ પ્રમાણે તેને દફનાવ.” એટલે યોસેફ પોતાના પિતાને દફનાવવા ગયો. તેની સાથે ફેરોના બધા અમલદારો, તેના પરિવારના વડીલો, ઇજિપ્તના બધા આગેવાનો, તેમ જ યોસેફનો સમગ્ર પરિવાર, તેના ભાઈઓ અને તેના પિતાનો પરિવાર પણ ગયો. માત્ર તેમનાં છોકરાં, ઘેટાંબકરા અને ઢોરઢાંક ગોશેનમાં રહ્યાં. વળી, તેની સાથે રથો અને અને ઘોડેસ્વારો પણ ગયા. અને તેમનો સંઘ ઘણો મોટો હતો. યર્દન નદીને પેલે પાર આટાદના ખળાએ પહોંચીને તેમણે મોટે સાદે વિલાપ કર્યો. યોસેફે પોતાના પિતા માટે સાત દિવસ શોક પાળ્યો. આટાદના ખળામાં થઈ રહેલો શોકવિલાપ જોઈને દેશના રહેવાસીઓ અને કનાનીઓ કહેવા લાગ્યા, “ઇજિપ્તીઓ ભારે શોકવિલાપ કરે છે” તેથી તે સ્થળનું નામ ‘આબેલ-મિસરાઈમ’ પડયું. એ સ્થળ યર્દનને પેલે પાર આવેલું છે. આમ, યાકોબે પોતાના પુત્રોને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે કર્યું. તેઓ તેને કનાન દેશમાં લઈ ગયા અને મામરેની પૂર્વે આવેલા માખ્પેલાના ખેતરમાં આવેલી ગુફા, જે અબ્રાહામે હિત્તીઓ પાસેથી ખરીદીને તેનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવા વેચાતી લીધી હતી, તેમાં તેને દફનાવ્યો. પોતાના પિતાને દફનાવ્યા પછી યોસેફ પોતાના ભાઈઓ અને તેની સાથે જેઓ તેના પિતાને દફનાવવા ગયેલા તે સૌને લઈને ઇજિપ્તમાં પાછો આવ્યો. પોતાના પિતાના મૃત્યુ પછી યોસેફના ભાઈઓને થયું કે કદાચ યોસેફ આપણો દ્વેષ કરે અને આપણે તેનું જે ભૂંડું કર્યું હતું તે બધાંનો તે પૂરો બદલો વાળે. એટલે તેમણે યોસેફને સંદેશો મોકલ્યો, “તમારા પિતાએ મૃત્યુ પહેલાં આવી આજ્ઞા આપી હતી: ‘યોસેફને કહેજો કે તારા ભાઈઓએ તારો અપરાધ કર્યો હતો. તું તેમનો ગુનો માફ કરજે એટલું હું માગું છું.’ એટલે હવે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા પિતાના ઈશ્વરના આ સેવકોનો ગુનો માફ કરો.” તેમનો આ સંદેશો યોસેફને મળ્યો ત્યારે તે રડી પડયો. ત્યારે તેના ભાઈઓ તેની સમક્ષ આવી પગે પડીને કહેવા લાગ્યા, “જુઓ, અમે તમારા દાસ છીએ” પણ યોસેફે તેમને કહ્યું, “ગભરાશો નહિ, હું કંઈ ઈશ્વરની જગ્યાએ છું? તમે તો મારું ભૂંડું ઇચ્છયું હતું, પણ ઈશ્વરે એમાંથી ભલું કરવા ધાર્યું હતું, જેથી ઘણા લોકોના જીવ બચે; અને આજે તેમ જ થયું છે. માટે ડરશો નહિ, હું તમારું અને તમારાં બાળકોનું ભરણપોષણ કરતો રહીશ.” એ રીતે તેણે તેમની સાથે પ્રેમથી વાત કરી અને તેમને ખાતરી આપી. આમ, યોસેફ તેના પિતાના પરિવાર સાથે ઇજિપ્તમાં રહ્યો. યોસેફ 110 વર્ષ જીવ્યો. તેણે એફ્રાઈમની ત્રીજી પેઢીનાં બાળકોને જોયાં, તેમ જ મનાશ્શાના પુત્ર માખીરનાં છોકરાં પણ તેના ખોળામાં ઉછર્યાં. યોસેફે પોતાના ભાઈઓને કહ્યું, “મારા મૃત્યુનો સમય પાસે આવ્યો છે, પણ ઈશ્વર જરૂર તમારી મદદે આવશે અને તમને આ દેશમાંથી કાઢી જઈને તેમણે જે દેશ આપવાનું અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબને સમ ખાઈને વચન આપેલું છે તે દેશમાં લઈ જશે” પછી યોસેફે ઇઝરાયલપુત્રોને સોગંદ ખવડાવીને કહ્યું, “ઈશ્વર તમારી મદદે આવે ત્યારે તમે મારાં હાડકાં અહીંથી અચૂક લઈ જજો.” આમ, યોસેફ 110 વર્ષનો થઈને મૃત્યુ પામ્યો અને તેના શરીરને સુગંધીદ્રવ્ય ભરીને તેને ઇજિપ્તમાં એક શબપેટીમાં મૂકવામાં આવ્યું. યાકોબ એટલે ઇઝરાયલ સાથે તેના જે પુત્રો પોતપોતાના પરિવાર સહિત ઇજિપ્તમાં આવ્યા તેમનાં નામ આ છે: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલૂન, બિન્યામીન દાન, નાફતાલી, ગાદ અને આશેર. યાકોબના કુલ સિત્તેર વંશજો હતા. યોસેફ તો અગાઉથી ઇજિપ્તમાં જ હતો. દરમ્યાનમાં, યોસેફ, તેના બધા ભાઈઓ અને તે પેઢીનાં બાકીનાં બધાં માણસો મરણ પામ્યાં, પણ તેમના વંશજ ઇઝરાયલીઓ સફળ થઈને વૃદ્ધિ પામ્યા અને સંખ્યામાં અને શક્તિમાં એટલા તો વધી ગયા કે તેમનાથી આખો ઇજિપ્ત દેશ ભરપૂર થઈ ગયો. હવે ઇજિપ્તમાં નવો રાજા સત્તા પર આવ્યો. તે યોસેફ વિષે જાણતો નહોતો. તેણે પોતાના લોકોને કહ્યું, “જુઓ, આ ઇઝરાયલીઓ આપણા કરતાં સંખ્યામાં વધી જઈ એટલા શક્તિશાળી બની ગયા છે કે તેઓ આપણે માટે ભયરૂપ છે. માટે આપણે તેમની સાથે ચાલાકીથી વર્તીએ; નહિ તો હજી તેમની વસ્તી વધવાની, અને આપણી સામે લડાઈ ફાટી નીકળે ત્યારે આપણા શત્રુઓ સાથે મળી જઈને તેઓ આપણી સામે લડે અને દેશમાંથી નાસી છૂટે.” તેથી તેમની પાસે સખત મજૂરી કરાવી તેમના પર અત્યાચાર ગુજારાવવા તેણે તેમના પર વેઠ કરાવનાર મુકાદમો નીમ્યા. ઇઝરાયલીઓએ ફેરો માટે પિથોમ અને રામસેસ એ બે પુરવઠાનગરો બાંધ્યાં. પણ જેમ જેમ તેમના પર જુલમ વધતો ગયો તેમ તેમ તેમની વસ્તી વધતી ગઈ અને દેશમાં વિશેષ પ્રમાણમાં ફેલાતા રહ્યા. ઇજિપ્તીઓને ઇઝરાયલીઓનો ભય લાગ્યો. તેથી તેમણે ઇઝરાયલીઓ પાસે સખત વેઠ કરાવી. ચૂનાના, ઈંટો પાડવાના તથા ખેતરનાં બધા પ્રકારનાં કામમાં તેમણે તેમની પાસે સખત વેઠ કરાવીને તેમની જિંદગી કષ્ટમય બનાવી દીધી. તેઓ બધાં જ કામો તેમની પાસે સખતાઈથી કરાવતા. ઇજિપ્તના રાજાએ શિફ્રા અને પુઆ નામે બે હિબ્રૂ દાયણોને આજ્ઞા આપતાં કહ્યું, “તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા જાઓ ત્યારે પ્રસવ સમયે તેમનું ધ્યાન રાખો. જો તેમને પુત્ર જન્મે તો તમારે તેને મારી નાખવો, પણ જો પુત્રી જન્મે તો તેને જીવતી રહેવા દેવી.” પણ આ દાયણો ઈશ્વરનો ડર રાખનારી હતી; તેથી ઇજિપ્તના રાજાની આજ્ઞા પ્રમાણે ન કરતાં છોકરાઓને જીવતા રહેવા દેતી. તેથી ઇજિપ્તના રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, “તમે આવું કેમ કર્યું છે? તમે છોકરાઓને જીવતા કેમ રહેવા દીધા છે?” દાયણોએ ફેરોને કહ્યું, “હિબ્રૂ સ્ત્રીઓ ઇજિપ્તી સ્ત્રીઓ જેવી નથી, તેઓ એવી ખડતલ હોય છે કે દાયણો તેમની પાસે પહોંચે તે પહેલાં જ તેઓ બાળકને જન્મ આપી દે છે.” તેથી ઈશ્વરે દાયણોનું ભલું કર્યું. વળી, દાયણો ઈશ્વરનો ડર રાખનારી હોવાથી ઈશ્વરે તેમનાં કુટુંબોને પણ સ્થાપિત કર્યાં. ઇઝરાયલીઓ વસ્તી અને શક્તિમાં વધતા રહ્યા. *** છેવટે ફેરોએ પોતાના બધા લોકોને હુકમ કર્યો કે હિબ્રૂઓને ત્યાં જન્મેલા પ્રત્યેક છોકરાને તમારે નદીમાં ફેંકી દેવો, પણ છોકરીઓ જન્મે તો તેમને રહેવા દેવી. એ અરસામાં લેવીકુળના એક પુરુષે પોતાના જ કુળની એક કન્યા સાથે લગ્ન કર્યાં. તે સ્ત્રીને ગર્ભ રહ્યો. અને તેને પુત્ર જન્મ્યો. આ છોકરો ખૂબ સુંદર હતો. તેથી તેણે તેને ત્રણ માસ સુધી સંતાડી રાખ્યો. પણ પછી તેને વધારે સમય સંતાડી રાખવાનું અશકાય હોવાથી તેણે તેને માટે નેતરની ટોપલી લઈને તેને ચીકણી રાળ અને ડામરથી લીંપી લીધી. પછી છોકરાને તેમાં મૂકીને તેને નદીકાંઠાના બરુઓ મધ્યે મૂકી આવી. તેનું શું થાય છે તે જોવા માટે તેની બહેન દૂર ઊભી રહી. એવામાં ફેરોની પુત્રી નદીમાં સ્નાન કરવા આવી. તેની દાસીઓ નદીને કાંઠે કાંઠે ફરતી હતી. અચાનક કુંવરીએ બરુઓ મધ્યે પેલી ટોપલી જોઈ. તેણે તે લઈ આવવા પોતાની એક દાસીને મોકલી. કુંવરીએ ટોપલી ખોલીને જોયું તો તેમાં એક છોકરો રડતો હતો. તેને તે છોકરા પર દયા આવી. તે બોલી, “જરૂર, આ કોઈ હિબ્રૂનો છોકરો છે.” ત્યારે છોકરાની બહેને ફેરોની પુત્રીને કહ્યું, “આ છોકરાની સંભાળ લેવા હું કોઈ હિબ્રૂ ધાવને બોલાવી લાવું? તે તમારે માટે આને ધવડાવીને ઉછેરશે.” ફેરોની પુત્રીએ કહ્યું, “જા.” તેથી તે છોકરી છોકરાની માતાને બોલાવી લાવી. પછી ફેરોની પુત્રીએ તે સ્ત્રીને કહ્યું, “આ છોકરાને લઈ જા. તેને મારા તરફથી ધવડાવીને ઉછેરજે અને હું તને તે માટે પગાર આપીશ.” તેથી તે સ્ત્રી તે છોકરાને લઈ ગઈ અને તેને ધવડાવીને ઉછેર્યો. તે છોકરો વૃદ્ધિ પામ્યો અને તે સ્ત્રી તેને ફેરોની પુત્રી પાસે લાવી અને તે ફેરોની પુત્રીનો પુત્ર બન્યો. “મેં તેને પાણીમાંથી ખેંચી કાઢયો છે,” એમ કહીને તેણે તેનું નામ મોશે (અર્થાત્ ખેંચી કાઢેલો) પાડયું. મોશે મોટો થયો. ત્યારે એકવાર પોતાના લોકોને મળવા તેમની પાસે ગયો. ત્યાં તેણે તેમના પર જુલમ થતો જોયો. તેણે એક ઇજિપ્તીને પોતાના હિબ્રૂ જાતભાઈને મારી નાખતાં પણ જોયો. તેણે આસપાસ નજર ફેરવી અને કોઈને ન જોતાં પેલા ઇજિપ્તીને મારી નાખીને તેનો મૃતદેહ રેતીમાં સંતાડી દીધો. પછી બીજે દિવસે તે ફરવા નીકળ્યો ત્યારે બે હિબ્રૂઓને એકબીજા સાથે લડતા જોયા. મોશેએ વાંક કરનાર માણસને કહ્યું, “તું શા માટે તારા ભાઈને મારે છે?” તેણે કહ્યુ, “કોણે તને અમારા પર શાસક કે ન્યાયાધીશ બનાવ્યો છે? તેં જેમ પેલા ઇજિપ્તીને મારી નાખ્યો તેમ તું મને પણ મારી નાખવા માગે છે?” તેથી મોશે ગભરાઈ ગયો. તે બોલ્યો, “ચોક્કસ આ વાતની બધે ખબર પડી ગઈ છે.” જ્યારે ફેરોને એ વાતની જાણ થઈ ત્યારે તેણે મોશેને મારી નાખવા પ્રયાસ કર્યો. પણ મોશે ફેરો પાસેથી મિદ્યાન દેશમાં નાસી ગયો. એકવાર તે ત્યાં એક કૂવા પાસે બેઠો હતો. એવામાં મિદ્યાનના યજ્ઞકારની સાત પુત્રીઓ ત્યાં આવી. તેમણે પોતાના પિતાના ઘેટાંબકરાંને પીવડાવવા પાણી ખેંચીને હવાડા ભર્યા. ત્યારે કેટલાક ભરવાડો આવીને તેમને કાઢી મૂકવા લાગ્યા, પણ મોશેએ ઊઠીને તેમને મદદ કરી અને તેમનાં ટોળાંને પાણી પણ પાયું. તેઓ પોતાના પિતા રેઉએલ પાસે પાછી આવી ત્યારે તેણે પૂછયું, “તમે આજે આટલાં વહેલાં કેવી રીતે આવ્યાં?” ત્યારે તેમણે કહ્યું, “એક ઇજિપ્તીએ અમને ભરવાડોના હાથમાંથી છોડાવી. વળી, તેણે અમારે માટે પાણી ખેંચીને ટોળાંને પણ પાયું.” રેઉએલે પોતાની પુત્રીઓને પૂછયું, “તે કયાં છે? તમે એ માણસને મૂકી દઈને કેમ આવ્યાં? તેને જમવા માટે બોલાવી લાવો.” એમ મોશે એ માણસને ત્યાં રાજીખુશીથી રહ્યો. રેઉએલે પોતાની પુત્રી સિપ્પોરાનાં લગ્ન મોશે સાથે કરાવ્યાં. સિપ્પોરાને એક પુત્ર જન્મ્યો. “હું પરદેશમાં પ્રવાસી છું.” એમ કહીને મોશેએ તેનું નામ ગેર્શોમ (પરદેશી) પાડયું. ઘણાં વરસો પછી ઇજિપ્તનો રાજા મૃત્યુ પામ્યો. ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા અને મદદને માટે વિલાપ કરતા હતા. તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો. ઈશ્વરે તેમના નિસાસા સાંભળ્યા અને અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબ સાથે કરેલો પોતાનો કરાર તેમણે યાદ કર્યો. ઈશ્વરે ઇઝરાયલીઓની ગુલામીની દશા જોઈ અને તેમણે તેમની દરકાર કરી. મોશે પોતાના સસરા મિદ્યાનના યજ્ઞકાર યિથ્રોનાં ઘેટાં સાચવતો હતો. એક દિવસ તે ઘેટાંને વેરાનપ્રદેશની પશ્ર્વિમ તરફ લઈ ગયો, અને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો. ત્યાં પ્રભુના દૂતે તેને એક છોડવા મધ્યે અગ્નિની જવાળામાં દર્શન આપ્યું. મોશેએ જોયું તો છોડવો સળગતો હતો, પણ બળીને ભસ્મ થતો નહોતો. મોશે બોલ્યો, “હું આ ચમત્કારિક બનાવ પાસે જઈને જોઈશ કે છોડવો ભસ્મ કેમ થતો નથી.” પ્રભુએ જોયું કે મોશે એ બનાવ જોવા પાસે આવે છે. તેથી તેમણે તેને છોડવામાંથી હાંક મારીને કહ્યું, “મોશે, મોશે.” તેણે કહ્યું, “હું આ રહ્યો.” ત્યારે તેમણે કહ્યું, “અહીં નજીક આવીશ નહિ. તારા પગમાંથી તારાં ચંપલ ઉતાર; કારણ, જ્યાં તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.” વળી, તેમણે કહ્યું, “હું તારા પૂર્વજોનો ઈશ્વર છું. હું અબ્રાહામનો, ઇસ્હાકનો અને યાકોબનો ઈશ્વર છું.” તેથી મોશેએ પોતાનું મુખ સંતાડયું; કારણ, ઈશ્વરની સામે જોતાં તેને બીક લાગી. પછી પ્રભુએ કહ્યું, “મેં ઇજિપ્તમાંના મારા લોકની દુર્દશા જોઈ છે. તેમના મુકાદમોના જુલમથી છૂટવાનો તેમનો પોકાર મેં સાંભળ્યો છે. તેમનાં દુ:ખ હું જાણું છું. તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને તે દેશમાંથી તેમને બહાર કાઢી લાવીને એક સારો તથા વિશાળ દેશ, જ્યાં દૂધમધની રેલમછેલ છે અને જ્યાં કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી અને યબૂસી લોકો વસે છે ત્યાં તેમને લઈ જવા હું નીચે ઊતર્યો છું. ઇઝરાયલીઓનો વિલાપ મારી પાસે પહોંચ્યો છે. વળી, ઇજિપ્તના લોકો તેમના પર જે રીતનો જુલમ ગુજારે છે તે મેં જોયો છે. તો ચાલ, તૈયાર થા. હું તને મારા ઇઝરાયલી લોકોને ઇજિપ્તમાંથી કાઢી લાવવા ફેરો પાસે મોકલું છું.” પણ મોશેએ ઈશ્વરને કહ્યું, “ફેરો પાસે જઈને ઇઝરાયલી લોકોને છોડાવનાર હું કોણ?” ઈશ્વરે તેને કહ્યું, “હું જરૂર તારી સાથે રહીશ; અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ એ છે કે જ્યારે તું તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવે, ત્યારે તમે આ પર્વત પર ઈશ્વરનું ભજન કરશો.” મોશેએ ઈશ્વરને કહ્યું, “હું ઇઝરાયલી લોકો પાસે જઈને તેમને કહું કે, ‘તમારા પૂર્વજોના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે,’ અને તેઓ મને પૂછે કે, ‘તેમનું નામ શું છે,’ તો હું તેમને શું કહું?” ઈશ્વરે મોશેને કહ્યું, “‘હું જે છું તે છું.’ ઇઝરાયલી લોકોને કહે જે કે ‘હું છું’ - એ મને તમારી પાસે મોકલ્યો છે. તેમને કહેજે કે તમારા પૂર્વજોના ઈશ્વર યાહવેએ એટલે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. એ જ મારું સદાકાળનું નામ છે અને આવનાર બધી પેઢીઓ એ જ નામે મારું સ્મરણ કરશે. “તું જઈને ઇઝરાયલીઓના આગેવાનોને એકઠા કરીને તેમને કહેજે કે તમારા પૂર્વજોના ઈશ્વર યાહવેએ એટલે, અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબના ઈશ્વરે મને દર્શન આપીને આમ કહ્યું છે: ‘મેં તમારી ખબર લીધી છે અને ઇજિપ્તમાં તમારા પર પડતાં દુ:ખો પણ જોયાં છે. હું તમને ઇજિપ્તની વિપત્તિઓમાંથી છોડાવીને તમને દૂધમધની રેલમછેલવાળા દેશમાં એટલે કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી તથા યબૂસી જાતિઓના દેશમાં લઈ જવા વચન આપું છું. “તેઓ તારી વાત માનશે. પછી તું તથા ઇઝરાયલી લોકોના આગેવાનો ઇજિપ્તના રાજા પાસે જઈને તેને કહો કે, ‘હિબ્રૂઓના ઈશ્વર યાહવેએ પોતાને અમારી સમક્ષ પ્રગટ કર્યા છે. હવે અમારા ઈશ્વર યાહવે આગળ યજ્ઞ કરવા માટે અમને મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર વેરાન પ્રદેશમાં જવા દો.’ હું જાણું છું કે મારું બાહુબળ બતાવ્યા વિના ઇજિપ્તનો રાજા તમને જવા નહિ દે. તેથી હું તેને મારું સામર્થ્ય દેખાડીશ અને તેમની મધ્યે ચમત્કારો કરીને હું ઇજિપ્તને મારીશ. ત્યાર પછી જ તે તમને જવા દેશે. “મારા લોક પર ઇજિપ્તના લોકોની રહેમનજર થાય એમ હું કરીશ. તેથી તમારે ત્યાંથી ખાલી હાથે નીકળવાનું નથી. પ્રત્યેક ઇઝરાયલી સ્ત્રીએ પોતાની પડોશણ કે તેના ઘરમાં રહેતી સ્ત્રી પાસેથી સોનાચાંદીના દાગીના અને વસ્ત્રો માગી લેવાં અને તમારે તે તમારાં છોકરાંને પહેરાવવાં. એ રીતે તમે ઇજિપ્તીઓને લૂંટી શકશો.” ત્યારે મોશેએ જવાબ આપ્યો, “પણ તેઓ મારું કહેવું માને જ નહિ અને મારી વાણી સાંભળે જ નહિ અને એમ કહે કે, ‘પ્રભુએ તને દર્શન દીધું જ નથી’ તો મારે શું કરવું?” પ્રભુએ તેને કહ્યું, “તારા હાથમાં શું છે?” મોશેએ કહ્યું, “લાકડી” પ્રભુએ તેને કહ્યું, “તેને જમીન પર ફેંદી દે.” મોશેએ લાકડી જમીન પર ફેંકી તો તે સાપ બની ગઈ અને મોશે તેનાથી દૂર ભાગ્યો. પણ પ્રભુએ તેને કહ્યું, “તારો હાથ લંબાવીને તેની પૂંછડી પકડ.” તેથી તેણે પોતાનો હાથ લંબાવીને તેને પકડયો, તો તે તેના હાથમાં પાછી લાકડી બની ગઈ. પ્રભુએ કહ્યું, “એવું કરજે, જેથી તેમને વિશ્વાસ બેસે કે તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુએ, એટલે અબ્રાહામ, ઇસ્હાક, અને યાકોબના ઈશ્વરે તને દર્શન દીધું છે.” પ્રભુએ ફરીથી મોશેને કહ્યું, “તારો હાથ તારા બદન માં મૂક.” તેણે પોતાનો હાથ બદનમાં મૂક્યો; પણ જ્યારે હાથ બહાર કાઢયો ત્યારે તેનો હાથ કોઢવાળો બની હિમ જેવો સફેદ થઈ ગયો હતો. પછી ઈશ્વરે તેને કહ્યું, “તારો હાથ ફરી તારાં બદનમાં મૂક.” તેથી તેણે પોતાનો હાથ ફરીથી બદનમાં મૂક્યો, પછી હાથ બહાર કાઢયો તો તે બાકીના શરીર જેવો તંદુરસ્ત થઈ ગયો હતો. પ્રભુએ તેને કહ્યું, “તેઓ તારા પર વિશ્વાસ ન મૂકે અથવા પ્રથમ ચિહ્નથી તેમને ખાતરી ન થાય તો કદાચ આ બીજા ચિહ્નથી તેમને ભરોસો પડશે. પણ આ બન્‍ને ચિહ્નોથી ય તેમને વિશ્વાસ ન બેસે અને તારું કહેવું ન માને તો તું નાઈલ નદીમાંથી થોડું પાણી લઈ કોરી જમીન પર રેડજે. તેં નદીમાંથી લઈને કોરી ભૂમિ પર રેડેલું પાણી રક્ત બની જશે.” પણ મોશેએ પ્રભુને કહ્યું, “હે પ્રભુ, ભૂતકાળમાં તેમ જ તમે તમારા સેવક સાથે વાત કર્યા પછી પણ, હું તો સારો વક્તા નથી; હું તો બોલવે ધીમો છું અને બોલતાં અચકાઉં છું.” પ્રભુએ તેને કહ્યું, “માણસનું મુખ કોણે બનાવ્યું છે? તેને મૂંગો કે બહેરો અથવા દેખતો કે આંધળો કોણ બનાવે છે? એમ કરનાર શું હું પ્રભુ નથી? તો જા, હું તને બોલવામાં મદદ કરીશ અને તારે શું કહેવું તે તને શીખવીશ.” પણ મોશેએ કહ્યું, “હે મારા પ્રભુ, એ માટે કૃપા કરી કોઈ બીજાને મોકલો.” ત્યારે મોશે પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો. તેમણે કહ્યું, “શું લેવી આરોન તારો ભાઈ નથી? તે બોલવામાં ચપળ છે તે હું જાણું છું. હકીક્તમાં, અત્યારે તે તને મળવા આવી રહ્યો છે અને તને જોઈને તે પોતાના મનમાં ખુશ થશે. તું તેની સાથે વાત કરીને તેણે શું કહેવું તે તેને શીખવજે. હું તને અને આરોનને બોલવામાં મદદ કરીશ, અને તમારે શું કરવું તે હું તમને શીખવીશ. તે તારા વતી લોકો સાથે વાત કરશે, અને તે તારા મુખ જેવો બનશે. હવે તારા હાથમાં આ લાકડી લે; કારણ, એના વડે તારે ચમત્કારો કરવાના છે.” મોશેએ તેના સસરા યિથ્રો પાસે જઈને તેને કહ્યું, “મને મારા ભાઈઓ પાસે ઇજિપ્તમાં પાછો જવા દો; જેથી હું જઈને જોઉં કે તેઓ હજી જીવે છે કે કેમ.” યિથ્રોએ મોશેને કહ્યું, “ભલે, શાંતિથી જા.” મિદ્યાનમાં પ્રભુએ મોશેને કહ્યું, “ઇજિપ્ત પાછો જા; કારણ, જેઓ તને મારી નાખવા માગતા હતા તે બધા મૃત્યુ પામ્યા છે.” તેથી પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર બેસાડીને મોશે ઇજિપ્ત પાછો જવા નીકળ્યો. મોશેએ પોતાના હાથમાં ઈશ્વરની લાકડી પણ લઈ લીધી. પ્રભુએ મોશેને કહ્યું, “તું ઈજિપ્ત પાછો જાય ત્યારે મેં તને જે જે ચમત્કારો કરવાની શક્તિ આપી છે તે બધા ચમત્કારો ફેરો આગળ કરી બતાવજે. તો પણ હું ફેરોનું હૃદય હઠીલું બનાવીશ; જેથી તે લોકોને જવા દેશે નહિ. ત્યારે તું ફેરોને કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘ઇઝરાયલ મારો જયેષ્ઠ પુત્ર છે, અને મેં તને મારા પુત્રને મારી સેવાભક્તિ કરવા જવા દેવા કહ્યું; પણ તેં તેને જવા દેવાનો ઇનકાર કર્યો છે. તેથી હું તારા જયેષ્ઠપુત્રને મારી નાખીશ.” મોશેએ રસ્તામાં એક સ્થળે મુકામ કર્યો. પ્રભુ મોશેને ત્યાં મળ્યા અને તે તેને મારી નાખવાના હતા. તેથી તરત જ તેની પત્ની સિપ્પોરાએ ચકમકનો તીક્ષ્ણ પથ્થર લઈને પોતાના પુત્રની સુન્‍નત કરી અને તેની ચામડી મોશેના પગને અડકાડી. સુન્‍નતના વિધિને કારણે તે બોલી, “તમે તો મારે માટે રક્તના પતિ બન્યા છો.” તેથી ઈશ્વરે મોશેને જવા દીધો. *** દરમ્યાનમાં, પ્રભુએ આરોનને કહ્યું, “તું મોશેને મળવા રણપ્રદેશમાં જા.” તેથી તે ગયો, અને ઈશ્વરના પર્વત આગળ તેને મળીને ચુંબન કર્યું. પ્રભુએ મોશેને જે જે કહ્યું હતું અને તેને જે જે ચમત્કારો કરવાની આજ્ઞા આપી હતી તે બધું તેણે આરોનને કહી સંભળાવ્યું. પછી મોશે અને આરોને જઈને ઇઝરાયલીઓના સર્વ આગેવાનોને એકઠા કર્યા. પ્રભુએ મોશેને કહેલી સર્વ વાતો આરોને તેમને કહી સંભળાવી, તથા લોકો આગળ સર્વ ચમત્કારો કરી બતાવ્યા. ત્યારે લોકોને વિશ્વાસ બેઠો. તેમણે સાંભળ્યું કે પ્રભુએ ઇઝરાયલી લોકોની મુલાકાત લીધી છે અને તેમનાં દુ:ખ જોયાં છે, ત્યારે તેમણે માથાં નમાવીને ઈશ્વરનું ભજન કર્યું. ત્યારપછી મોશે અને આરોને ફેરો પાસે જઈને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યાહવે આ પ્રમાણે કહે છે: ‘મારા લોકોને મારા માનાર્થે રણપ્રદેશમાં પર્વ પાળવા જવા દે.” પણ ફેરોએ કહ્યું, “આ યાહવે કોણ છે કે હું તેનું સાંભળીને ઇઝરાયલીઓને જવા દઉં? હું એને ઓળખતો નથી, અને હું ઇઝરાયલીઓને જવા દેવાનો પણ નથી.” મોશે અને આરોને જવાબ આપ્યો, “અમને હિબ્રૂઓના ઈશ્વરનો મેળાપ થયો છે. તેથી અમારી વિનંતી છે કે અમારા ઈશ્વર પ્રભુ સમક્ષ યજ્ઞ કરવા માટે મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર અમને રણપ્રદેશમાં જવા દો. નહિ તો તે કદાચ અમારો રોગચાળાથી કે તલવારથી નાશ કરશે.” પણ ઇજિપ્તના રાજાએ મોશે અને આરોનને કહ્યું, “તમે શા માટે લોકોને તેમનું કામ કરવા દેતા નથી? જાઓ, તમે તમારા કામે લાગી જાઓ. તમે આ દેશમાં તમારા લોકોને તેમના કામમાંથી વિસામો અપાવા માગો છો?” તે જ દિવસે ફેરોએ લોકોના ઇજિપ્તી મુકાદમો અને ઇઝરાયલી ઉપરીઓને આજ્ઞા આપી: “તમારે લોકોને પહેલાંની જેમ ઈંટો પાડવા પરાળ આપવું નહિ; તેઓ જાતે જઈને પોતાને માટે પરાળ એકઠું કરી લાવે. છતાં આજ દિવસ સુધી તેઓ અગાઉ જેટલી ઈંટો પાડતા હતા તેટલી જ ઈંટો પાડવાની તેમને ફરજ પાડો; તેની સંખ્યામાં ઘટાડો કરશો નહિ. કારણ, તેઓ આળસુ છે અને એટલા જ માટે તેઓ પોતાના ઈશ્વર સમક્ષ યજ્ઞ કરવા જવા દેવાની મને વિનંતી કર્યા કરે છે. એ લોકોને શિર કામનો બોજો વધારો; જેથી તેઓ કામમાં વ્યસ્ત રહે અને જૂઠી વાતો પર લક્ષ ન આપે.” તેથી લોકોના ઇજિપ્તી મુકાદમો તથા ઇઝરાયલી ઉપરીઓએ ત્યાંથી જઈને લોકોને કહ્યું, “ફેરો આ પ્રમાણે કહે છે, ‘હું તમને પરાળ આપીશ નહિ. તમે જઈને જ્યાંથી મળે ત્યાંથી તમારે માટે પરાળ લઈ આવો, પણ તમારે માટે ઠરાવેલા કામમાં જરાયે ઘટાડો કરવામાં આવશે નહિ” તેથી લોકો પરાળની શોધ કરી તે એકઠું કરવા માટે આખા ઇજિપ્ત દેશમાં ફરી વળ્યા. મુકાદમો તેમને અવારનવાર તાકીદ કરવા લાગ્યા, “તમને પરાળ અપાતું હતું ત્યારે તમારે જેટલું કામ કરવાનું હતું તેટલું જ કામ તમારે પૂરું કરી આપવાનું છે.” ફેરોના મુકાદમોએ ઇઝરાયલી ઉપરીઓને માર મારતાં કહ્યું, “તમે અત્યાર સુધી જેટલી ઈંટો પાડતા હતા તેટલી ઈંટો આજે અને કાલે કેમ પૂરી કરી નથી?” ત્યારે ઇઝરાયલી ઉપરીઓએ ફેરો સમક્ષ જઈને અરજ કરતાં કહ્યું, “નામદાર, તમે તમારા સેવકો સાથે આવી રીતે કેમ વર્ત્યા છો? આ તમારા સેવકોને પરાળ આપવામાં આવતું નથી અને છતાં અમને ઈંટો પાડવાનું કહેવામાં આવે છે. હવે તો અમને મારપીટ કરવામાં આવે છે, પણ વાંક તો તમારા લોકોનો છે.” પણ ફેરોએ જવાબ આપ્યો, “તમે આળસુ છો, તમે એદી છો. તેથી જ તમે કહો છો કે અમને પ્રભુની સમક્ષ યજ્ઞ કરવા જવા દો. તેથી જાઓ અને કામ કરો. તમને પરાળ આપવામાં નહિ આવે અને છતાં તમારે ઈંટોની નિયત સંખ્યા પૂરી કરી આપવી પડશે.” દરરોજ પાડવાની ઈંટોની સંખ્યામાં કંઈ ઘટાડો કરવાનો નથી એવું કહેવામાં આવ્યું ત્યારે ઇઝરાયલી ઉપરીઓને ખબર પડી કે તેઓ વિકટ પરિસ્થિતિમાં મૂકાઈ ગયા છે. તેઓ ફેરો પાસેથી પાછા આવતા હતા ત્યારે તેમની રાહ જોઈ રહેલા મોશે અને આરોન તેમને મળ્યા. ઉપરીઓએ તેમને કહ્યું, “પ્રભુ તમારાં કામ જોઈને તમને સજા કરો; કારણ, ફેરો તથા તેના અધિકારીઓની દૃષ્ટિમાં તમે અમને ધિક્કારપાત્ર બનાવ્યા છે અને અમને મારી નાખવા માટે તેમના હાથમાં તલવાર મૂકી છે.” ત્યારે મોશેએ પ્રભુ પાસે જઈને તેમને કહ્યું, “હે પ્રભુ, તમે શા માટે લોકોની આવી દુર્દશા કરી છે? તમે શા માટે મને મોકલ્યો છે? કારણ, હું તમારે નામે ફેરોને કહેવા ગયો ત્યારથી તેણે લોકોને દુ:ખ દેવા માંડયું છે અને તમે પણ તમારા લોકોને છોડાવવા કંઈ જ કર્યું નથી.” પછી પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું ફેરોની કેવી દશા કરું છું તે તું જોજે; કારણ, મારા બાહુબળના પ્રભાવથી તે તમને જવા દેશે; અરે, મારા બાહુબળને લીધે તો તે તમને તેના દેશમાંથી હાંકી કાઢશે.” વળી, ઈશ્વરે મોશેને કહ્યું, “હું યાહવે છું. એલ-શાદાય (સર્વસમર્થ ઈશ્વર) એ નામે મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને દર્શન દીધું હતું, પણ મારા પવિત્ર નામ યાહવેથી મેં તેમને મારી ઓળખ આપી નહોતી. *** મેં તેમની સાથે કરાર કર્યો ત્યારે તેઓ જે દેશમાં પ્રવાસીઓ તરીકે વસ્યા હતા તે દેશ આપવાનું મેં તેમને વચન આપ્યું હતું. હવે મેં ઇજિપ્તીઓની ગુલામીમાં પીડાતા ઇઝરાયલી લોકોના નિસાસા સાંભળ્યા છે અને મારો કરાર સંભાર્યો છે. તેથી ઇઝરાયલીઓને કહે કે, હું પ્રભુ છું. હું તમને ઇજિપ્તીઓની વેઠમાંથી અને તેમની ગુલામીમાંથી મુક્ત કરીશ. હું મારો હાથ ઉગામીને તેમના પર ભારે સજા લાવીને તમારો ઉદ્ધર કરીશ. હું તમને મારા લોકો તરીકે અપનાવીશ, અને હું તમારો ઈશ્વર થઈશ. ત્યારે તમે જાણશો કે ઇજિપ્તીઓની વેઠથી તમને મુક્ત કરનાર હું તમારો ઈશ્વર પ્રભુ છું. અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લઈ જઈને તે તમારા વતન તરીકે આપીશ. હું પ્રભુ છું.” મોશેએ એ બધું ઇઝરાયલીઓને કહ્યું, પણ નિર્દય ગુલામીને લીધે તેમનાં મન ભાંગી પડયાં હતાં. તેથી તેમણે તેનું સાંભળ્યું નહિ. પછી પ્રભુએ મોશેને કહ્યું, “તું જઈને ઇજિપ્તના રાજા ફેરોને કહે કે તે ઇઝરાયલી લોકોને તેના દેશમાંથી જવા દે.” પણ મોશેએ પ્રભુને કહ્યું, “જ્યારે ઇઝરાયલી લોકોએ જ મારું ન સાંભળ્યું તો પછી ફેરો મારું કેવી રીતે સાંભળશે? હું તો બોલવે ધીમો છું.” પ્રભુએ મોશે તથા આરોનને આજ્ઞા કરી કે ઇઝરાયલીઓ અને ઇજિપ્તના રાજા ફેરોને જઈને કહો કે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કરવા મેં તમને આદેશ આપ્યો છે.” કુળપુરુષો પ્રમાણે કુટુંબના મુખ્ય માણસો આ પ્રમાણે હતા: ઇઝરાયલના જયેષ્ઠપુત્ર રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી, તેઓ તેમના નામથી ઓળખાતા ગોત્રના પૂર્વજો હતા. શિમયોનના પુત્રો: યમૂએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને કનાની પત્નીનો પુત્ર શાઉલ. તેઓ તેમના નામથી ઓળખાતા ગોત્રના પૂર્વજો હતા. લેવીના પુત્રોનાં નામ આ પ્રમાણે છે: ગેર્શોન, કહાથ અને મરારી, લેવીનું આયુષ્ય 138 વર્ષનું હતું. ગેર્શોનના પુત્રો: લિબ્ની અને શિમઈ કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિઝયેલ. કહાથનું આયુષ્ય 133 વર્ષનું હતું. મરારીના પુત્રો: માહલી અને મુશી. આ લેવીકુળનાં ગોત્રો અને તેમના વંશજો હતા. આમ્રામે પોતાની ફોઈ યોખેબેદ સાથે લગ્ન કર્યાં અને યોખેબેદને આરોન અને મોશે જન્મ્યા. આમ્રામ 137 વર્ષ જીવ્યો. યિસ્હારના પુત્રો: કોરા, નેફેગ અને ઝિખ્રી ઉઝિઝયેલના પુત્રો: મિશાયેલ, એલ્સાફાન અને સિથ્રી. આરોને આમ્મીનાદાબની પુત્રી એટલે નાહશોનની બહેન એલીશેબા સાથે લગ્ન કર્યાં. એલીશેબાએ નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામારને જન્મ આપ્યો. કોરાના પુત્રો: આસ્સીર, એલ્કાના અને અબ્યાથાર. તેઓ કોરા ગોત્રના વર્ગના પૂર્વજો હતા. આરોનના પુત્ર એલાઝારે પૂટીએલની પુત્રીઓમાંથી એકની સાથે લગ્ન કર્યાં, અને તેની પત્નીએ ફિનહાસને જન્મ આપ્યો. આ લેવીકુળના ગોત્રના અને કુટુંબોના મુખ્ય માણસો હતા. આ જ આરોન અને મોશેને પ્રભુએ ઇઝરાયલીઓને તેમનાં કુળો પ્રમાણે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવા જણાવ્યું હતું. ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવા ફેરોની સાથે વાત કરનાર આ જ મોશે તથા આરોન હતા. પ્રભુએ મોશે સાથે ઇજિપ્તમાં વાત કરી તે દિવસે તેમણે તેને કહ્યું, “હું પ્રભુ છું. હું તને જે જે કહું તે બધું તારે ઇજિપ્તના રાજા ફેરોને કહેવું.” *** પરંતુ મોશેએ પ્રભુને કહ્યું, “જુઓ, હું તો બોલવે ધીમો છું. ફેરો મારું કેવી રીતે સાંભળશે?” ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “જો હું તને ફેરો માટે ઈશ્વર જેવો બનાવું છું અને તારો ભાઈ આરોન તારા પ્રવક્તા તરીકે તેની સાથે બોલશે. હું તને જે આજ્ઞા આપું તે બધું તારે તારા ભાઈ આરોનને કહેવું. આરોન ફેરોને કહેશે, ‘તમે ઇઝરાયલીઓને તમારા દેશમાંથી જવા દો.’ પણ હું ફેરોનું હૃદય હઠીલું બનાવીશ અને ઇજિપ્તમાં ઘણાં ચિહ્નો અને ચમત્કારો કરીશ. છતાં ફેરો તમારું સાંભળશે નહિ; પછી હું મારો હાથ ઇજિપ્ત પર લંબાવીને તેને આકરી સજા કરીશ અને મારાં સૈન્યોને, એટલે ઇઝરાયલનાં કુળોને હું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવીશ. જ્યારે હું મારો હાથ લંબાવીને ઇઝરાયલીઓને ઇજિપ્તીઓ મધ્યેથી બહાર કાઢી લાવીશ ત્યારે ઇજિપ્તીઓ જાણશે કે હું પ્રભુ છું.” મોશે અને આરોને બરાબર પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. તેમણે ફેરો સાથે વાત કરી તે સમયે મોશે 80 વર્ષનો અને આરોન 83 વર્ષનો હતો. પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “ફેરો તમને કહે કે તમે ચમત્કાર કરીને ખાતરી કરાવો ત્યારે તું આરોનને આમ કહેજે: ‘તારી લાકડી લઈને ફેરોની સમક્ષ નાખ કે તે સર્પ બની જાય.” *** પછી મોશે તથા આરોન ફેરો પાસે ગયા, અને પ્રભુએ તેમને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું; આરોને પોતાની લાકડી ફેરો તથા તેના અમલદારો સમક્ષ જમીન પર ફેંકી, એટલે તે સર્પ બની ગઈ. ત્યારે ફેરોએ પણ જ્ઞાનીઓને તથા જાદુગરોને બોલાવ્યા. ઇજિપ્તના જાદુગરોએ પણ તેમના મંત્રતંત્ર વડે તે જ પ્રમાણે કર્યું. એટલે કે તેમનામાંના દરેકે પોતાની લાકડી જમીન પર ફેંકી, ને તે સર્પો બની ગઈ; પણ આરોનની લાકડી તેમની લાકડીઓને ગળી ગઈ. પ્રભુએ કહ્યું હતું તેમ ફેરોનું હૃદય હઠીલું થયું અને તેણે મોશે તથા આરોનનું કહેવું માન્યું નહિ. પછી પ્રભુએ મોશેને કહ્યું, “ફેરોનું હૃદય હઠીલું થયું છે અને તે લોકોને જવા દેવાની ના પાડે છે. તેથી સવારે ફેરો નાઇલ નદીએ જાય ત્યારે તું તેની પાસે જજે; તેને મળવા માટે તું નદીકિનારે ઊભો રહેજે. જે લાકડી સર્પ બની ગઈ હતી તે તારા હાથમાં લઈ જજે. તું ફેરોને કહેજે, ‘હિબ્રૂઓના ઈશ્વર પ્રભુએ મને તમારી પાસે મોકલ્યો છે. તેમણે આમ કહ્યું છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા રણપ્રદેશમાં જવા દે.’ પણ અત્યાર સુધી તમે સાંભળ્યું નથી. તો હવે પ્રભુ તમને જણાવે છે કે તે હવે જે કાર્ય કરવાના છે તે પરથી તે પ્રભુ છે એની તમને ખબર પડશે. હું મારા હાથમાંની આ લાકડી નાઇલનાં પાણી પર મારીશ એટલે પાણી રક્ત બની જશે. તેને લીધે નાઇલ નદીમાંનાં માછલાં મરી જશે, ને નદી ગંધાઈ ઊઠશે; અને ઇજિપ્તના રહેવાસીઓ નાઇલનું પાણી પી શકશે નહિ.” પ્રભુએ મોશેને કહ્યું, “આરોનને કહે, ‘તું તારા હાથમાં લાકડી લઈને તેને ઇજિપ્તનાં પાણી પર, તેમની નદીઓ ઉપર, નહેરો ઉપર, તેમનાં તળાવો ઉપર અને તેમનાં સર્વ જળાશયો ઉપર લંબાવ, એટલે એમનાં બધાં પાણી, અરે, સમગ્ર ઇજિપ્ત દેશમાંનાં લાકડાંનાં તેમ જ પથ્થરનાં તમામ પાત્રોમાંનું પાણી રક્ત બની જશે.” મોશે અને આરોને પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું, ફેરો તથા તેના અમલદારોના દેખતાં આરોને લાકડી ઊંચી કરીને નાઇલ નદીના પાણી પર મારી, એટલે નાઇલનું બધું જ પાણી રક્ત બની ગયું. ત્યારે નાઇલ નદીમાંનાં બધાં માછલાં મરી ગયાં અને નદીનું પાણી દુર્ગંધ મારવા લાગ્યું. ઇજિપ્તના રહેવાસીઓ નાઇલ નદીનું પાણી પી શકાયા નહિ. આખા ઇજિપ્ત દેશમાં રક્ત જ રક્ત થઈ રહ્યું. પરંતુ ઇજિપ્તના જાદુગરોએ પણ તેમના મંત્રતંત્રથી એ પ્રમાણે કર્યું; જેથી પ્રભુએ કહ્યું હતું તેમ ફેરોનું હૃદય હઠીલું થયું અને તેણે મોશે તથા આરોનનું કહેવું માન્યું નહિ. પછી ફેરો ત્યાંથી પાછો પોતાને ઘેર ગયો. છતાં આ વાત વિષે તેણે વિચાર સરખોય કર્યો નહિ, હવે સર્વ ઇજિપ્તીઓએ પીવાના પાણી માટે નાઈલની આજુબાજુ વીરડા ખોદ્યા: કારણ, તેઓ નાઇલનું પાણી પી શકાયા નહિ. પ્રભુએ નાઇલ નદીને માર્યાને સાત દિવસ વીતી ગયા. પછી પ્રભુએ મોશેને કહ્યું, “ફેરોની પાસે જઈને તેને કહે કે, ‘પ્રભુ આમ કહે છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે. જો તું તેમને નહિ જવા દે તો હું તારા સમગ્ર દેશ પર દેડકાંની આફત લાવીશ. નાઇલ નદી દેડકાંથી ખદબદશે. દેડકાં તારા મહેલમાં, તારા શયનખંડમાં, તારા પલંગ ઉપર તેમ જ તારા અમલદારોના ઘરમાં, તારી પ્રજા ઉપર, તમારી સગડીઓમાં અને તમારી થાળીઓમાં ચડી આવશે. એ દેડકાં તારા ઉપર, તારી પ્રજા ઉપર અને તારા અમલદારો ઉપર ચડી આવશે.” પછી પ્રભુએ મોશેને કહ્યું, “આરોનને કહે, ‘તારા હાથમાં લાકડી લઈને તેને નદીઓ, નહેરો અને જળાશયો ઉપર લંબાવીને ઇજિપ્ત દેશ પર દેડકાં લાવ.” ત્યારે આરોને પોતાનો હાથ ઇજિપ્તના પાણી ઉપર લંબાવ્યો અને દેડકાંઓએ ચડી આવીને ઇજિપ્ત દેશને ઢાંકી દીધો. પરંતુ જાદુગરો પણ તેમના મંત્રતંત્રથી તે પ્રમાણે ઇજિપ્ત પર દેડકાં લાવ્યા. ત્યારે ફેરોએ મોશે તથા આરોનને બોલાવીને કહ્યું, “તમે પ્રભુને વિનંતી કરો કે તે મારી પાસેથી તેમ જ મારી પ્રજા પાસેથી દેડકાં દૂર કરે, અને હું લોકોને પ્રભુ આગળ યજ્ઞ કરવા જવા દઈશ.” મોશેએ ફેરોને કહ્યું, “ભલે, તમારી એવી ઇચ્છા હોય તો તમારે માટે, તમારા અમલદારો માટે અને તમારી પ્રજા માટે હું ક્યારે પ્રભુને વિનંતી કરું કે તમારી પાસેથી અને તમારાં ઘરોમાંથી દેડકાં નાશ પામે અને માત્ર નાઇલમાં જ દેડકાં રહે?” ફેરોએ કહ્યું, “આવતી કાલે.” મોશેએ કહ્યું, “તમારા કહેવા પ્રમાણે હું કાલે વિનંતી કરીશ; જેથી તમે જાણો કે અમારા ઈશ્વર પ્રભુ જેવો કોઈ છે જ નહિ. દેડકાં તમારી પાસેથી અને તમારા મહેલમાંથી તેમ જ તમારા અમલદારો અને તમારી પ્રજા પાસેથી જતાં રહેશે અને ફક્ત નાઇલ નદીમાં જ રહેશે.” પછી મોશે અને આરોન ફેરો પાસેથી બહાર ગયા અને જે દેડકાં પ્રભુ ફેરો સામે લાવ્યા હતા તે વિષે મોશેએ તેમને વિનંતી કરી. પ્રભુએ મોશેના કહ્યા પ્રમાણે કર્યું. ઘરોમાંનાં, વાડાઓમાંનાં અને ખેતરોમાંનાં દેડકાં મરી ગયાં. લોકોએ તેમના ઢગલા કર્યા અને આખો ઇજિપ્ત દેશ ગંધાઈ ઊઠયો. પણ જ્યારે ફેરોએ જોયું કે દેડકાંથી તેનો છુટકારો થયો છે ત્યારે પ્રભુએ કહ્યું હતું તેમ તેણે પોતાનું હૃદય હઠીલું કર્યું અને મોશે અને આરોનનું કહેવું માન્યું નહિ. પછી પ્રભુએ મોશેને કહ્યું, “આરોનને કહે, ‘તારી લાકડી ઉગામીને ધરતીની ધૂળ પર પ્રહાર કર કે આખા ઇજિપ્તમાં જૂઓ થઈ જાય.” તેણે તે પ્રમાણે કર્યું. આરોને હાથમાં લાકડી લઈને ધરતીની ધૂળ પર પ્રહાર કર્યો એટલે આખા ઇજિપ્તની બધી જ ધૂળ જૂ બની ગઈ અને માણસો અને ઢોરઢાંકને જૂઓ પડી. જાદુગરોએ પણ પોતાના મંત્રતંત્ર વડે જૂઓ પેદા કરવા પ્રયાસ કર્યો, પણ તેમ કરી શકાયા નહિ. આમ, માણસો અને ઢોરઢાંકને જૂઓનો ત્રાસ થયો. ત્યારે જાદુગરોએ ફેરોને કહ્યું, “આ તો ઈશ્વરનું કામ છે.” તો પણ પ્રભુએ કહ્યું હતું તેમ ફેરોનું હૃદય હઠીલું થયું અને તેણે તેમનું માન્યું નહિ. પછી પ્રભુએ મોશેને કહ્યું, “તું સવારે વહેલો ઊઠીને ફેરો નદીએ જાય ત્યારે ત્યાં તેની રાહ જોજે. તેને કહેજે, ‘પ્રભુ આમ કહે છે: મારા લોકને મારી સેવાભક્તિ કરવા જવા દે. જો તું તેમને નહિ જવા દે તો હું તારા ઉપર, તારા અમલદારો ઉપર, તારી પ્રજા ઉપર અને તમારાં ઘરોમાં માખીઓનાં ટોળેટોળાં મોકલીશ. ઇજિપ્તીઓનાં ઘરોમાં અને તેઓ જ્યાં હરતાફરતા હોય ત્યાં બધી ભૂમિ પર માખીઓનાં ટોળાં ભરાઈ જશે. પણ તે દિવસે મારા લોકો રહે છે તે ગોશેન પ્રાંતને હું એવી રીતે અલગ રાખીશ કે જેથી માખીઓનાં ટોળાં ત્યાં જશે નહિ. તમને ખબર પડશે કે દેશમાં આ કાર્યો કરનાર હું પ્રભુ છું. આ રીતે મારા લોકો અને તારા લોકો વચ્ચે હું ભેદ રાખીશ. આવતી કાલે આ ચમત્કાર થશે.” પ્રભુએ એ પ્રમાણે કર્યું. ફેરોના મહેલમાં અને તેના અમલદારોના ઘરોમાં માખીઓનાં ટોળેટોળાં આવ્યાં અને આખા ઇજિપ્તમાં માખીઓનાં ટોળાંથી ત્રાસ ત્રાસ થઈ ગયો. પછી ફેરોએ મોશે તથા આરોનને બોલાવીને કહ્યું, “જાઓ, આ દેશમાં જ તમારા ઈશ્વરને માટે યજ્ઞ કરો.” પરંતુ મોશેએ જવાબ આપ્યો, “એમ કરવું યોગ્ય નથી; કારણ, અમે અમારા ઈશ્વર પ્રભુને જે બલિદાનો ચડાવીએ છીએ તેનાથી ઇજિપ્તીઓને નફરત થશે. ઇજિપ્તીઓને નફરત આવે એવાં બલિદાનો અમે ચડાવીએ તો તેઓ અમને પથ્થરે નહિ મારે? અમારે તો મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર રણપ્રદેશમાં જવું પડશે અને અમારા ઈશ્વર પ્રભુ અમને આજ્ઞા આપે તે પ્રમાણે અમે તેમની આગળ યજ્ઞ કરીશું.” ફેરોએ કહ્યું, “હું તમને તમારા પ્રભુ આગળ યજ્ઞ કરવા માટે જવા દઈશ, પણ તમારે બહુ દૂર જવું નહિ. તો હવે મારે માટે વિનંતી કરો.” મોશેએ જવાબ આપ્યો, “તમારી પાસેથી બહાર ગયા પછી હું તરત જ પ્રભુને વિનંતી કરીશ કે આવતી કાલે તમારી પાસેથી, તમારા અમલદારો પાસેથી અને તમારી પ્રજા પાસેથી માખીઓ દૂર થાય. પણ અમને ફરીથી છેતરીને લોકોને પ્રભુ આગળ યજ્ઞ કરવા જવા દેવાની મનાઈ ફરમાવશો નહિ.” પછી ફેરો પાસેથી બહાર જઈને મોશેએ પ્રભુને વિનંતી કરી અને પ્રભુએ મોશેની વિનંતી પ્રમાણે કર્યું. તેમણે ફેરો પાસેથી, તેના અમલદારો પાસેથી અને તેની પ્રજા પાસેથી માખીઓ દૂર કરી અને એક પણ માખી રહી નહિ. છતાં આ વખતે પણ ફેરોએ પોતાનું હૃદય હઠીલું કરીને લોકોને જવા દીધા નહિ. પછી પ્રભુએ મોશેને કહ્યું, “ફેરો પાસે જઈને તેને કહે, “હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે. જો તું તેમને જવા દેવાનો ઇનકાર કરશે અને તેમને હજી પણ રોકી રાખશે, તો તારાં સઘળાં પશુઓ ઉપર, એટલે ઘોડા, ગધેડાં, ઊંટો, ગાયબળદો તથા ઘેટાંબકરાં ઉપર ભયંકર રોગચાળો લાવીને તમને આકરી સજા કરીશ. હું ઇઝરાયલીઓ અને ઇજિપ્તીઓનાં ઢોરઢાંક વચ્ચે ભેદ રાખીશ, અને ઇઝરાયલીઓનું એક પણ ઢોર મરશે નહિ. મેં પ્રભુએ એ સજા માટે આવતી કાલનો સમય નક્કી કર્યો છે.” બીજે દિવસે પ્રભુએ તે પ્રમાણે કર્યું, અને ઇજિપ્તીઓનાં સર્વ ઢોર મરી ગયાં, પણ ઇઝરાયલીઓનું એક પણ ઢોર મર્યું નહિ. ફેરોએ માણસ મોકલીને તપાસ કરાવી તો ઇઝરાયલીઓનાં ઢોરમાંથી એકપણ મર્યું નહોતું. છતાં ફેરોનું હૃદય હઠીલું રહ્યું અને તેણે લોકોને જવા દીધા નહિ. પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “તમે ભઠ્ઠીમાંથી મૂઠીઓ ભરીને રાખ લો અને મોશે તેને ફેરોના દેખતાં આકાશ તરફ ઉડાડે. રાખ બારીક રજકણોરૂપે આખા ઇજિપ્તમાં ફેલાઈ જશે અને તેનાથી સમગ્ર ઇજિપ્તના માણસો અને ઢોરઢાંકને ગૂમડાં થશે અને તે ફૂટીને તેનાં ઘારાં બની જશે.” તેથી તેમણે ભઠ્ઠીમાંથી રાખ લીધી અને ફેરો સમક્ષ જઈ ઊભા રહ્યા. પછી મોશેએ તે આકાશ તરફ ઉડાડી અને તેનાથી માણસોને તથા પશુઓને ગૂમડાં થયાં અને તે ફૂટીને તેનાં ઘારાં બન્યાં. જાદુગરો મોશે આગળ ઊભા રહી શકાયા નહિ; કારણ, જાદુગરો તેમ જ સર્વ ઇજિપ્તીઓને ગૂમડાં ફૂટી નીકળ્યાં હતાં. પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને પ્રભુએ મોશેને કહ્યું હતું તે પ્રમાણે ફેરોએ તેમનું માન્યું નહિ. પછી પ્રભુએ મોશેને કહ્યું, “સવારે વહેલો ઊઠીને ફેરો સમક્ષ હાજર થા અને તેને કહે, ‘હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આમ કહે છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે. નહિ તો આ વખતની મારી આફત હું માત્ર તારા અમલદારો અને તારી પ્રજા ઉપર જ નહિ, પણ તારા પોતા ઉપર પણ મોકલીશ; જેથી તું જાણે કે સમસ્ત પૃથ્વીમાં મારા જેવો કોઈ છે જ નહિ. અત્યાર સુધીમાં તો મારો હાથ લંબાવીને હું તારી ઉપર અને તારી પ્રજા ઉપર એવો રોગચાળો લાવ્યો હોત કે પૃથ્વી પરથી તારો સદંતર નાશ થઈ જાત. પણ હું તને મારું સામર્થ્ય બતાવી આપું અને એ દ્વારા આખી પૃથ્વી પર મારું નામ પ્રગટ થાય એ માટે મેં તને જીવતો રાખ્યો છે. હજી પણ મારા લોકોની સામે પડીને તું તેમને જવા દેતો નથી. તેથી આવતી કાલે આ જ સમયે હું એવા ભારે કરા વરસાવીશ કે ઇજિપ્તનું રાજ્ય સ્થપાયું ત્યારથી અત્યાર સુધી એવા કરા ક્યારેય પડયા ન હોય. માટે હવે કોઈને મોકલીને તારાં ઢોર અને ખેતરમાં જે કંઈ તારું હોય તે સૌને તરત જ ઘેર બોલાવી લે. કારણ, માણસ કે ઢોર ખેતરમાં જે કોઈ રહી ગયું હશે તે પ્રત્યેક પર કરા પડશે અને તે માર્યું જશે.” તેથી ફેરોના જે અમલદારો પ્રભુના સંદેશથી ભયભીત થયા તે સૌએ પોતાના નોકરોને અને ઢોરોને ઘેર બોલાવી લીધાં, પણ જેમણે પ્રભુનો સંદેશ ગણકાર્યો નહિ તે સૌએ પોતાના નોકરોને અને ઢોરોને ખેતરમાં રહેવા દીધાં. પ્રભુએ મોશેને કહ્યું, “તું તારો હાથ આકાશ તરફ ઊંચો કર કે જેથી સમગ્ર ઇજિપ્તમાં માણસો, ઢોર અને ખેતરમાંની સઘળી વનસ્પતિ પર કરા પડે.” પછી મોશેએ પોતાની લાકડી આકાશ તરફ ઊંચી કરી એટલે પ્રભુએ કડાકા તથા કરા મોકલ્યા. જમીન પર વીજળી પડી. પ્રભુ ઈજિપ્ત પર કરાનું ભારે તોફાન લાવ્યા. વીજળીના ચમકારા સાથે કરા પડયા. તે કરા એવા ભારે હતા કે ઇજિપ્તનું રાજ્ય સ્થપાયું ત્યારથી સમગ્ર દેશમાં એવા કરા ક્યારેય પડયા નહોતા. આખા ઇજિપ્તમાં જે માણસો તથા પશુઓ ખેતરમાં હતા તે બધાં કરાથી માર્યા ગયા. કરાથી ખેતરમાંની બધી વનસ્પતિનો નાશ થયો તથા ખેતરમાંનાં બધાં વૃક્ષ ભાંગી ગયાં. ફક્ત ઇઝરાયલીઓ જ્યાં રહેતા હતા તે ગોશેન પ્રાંતમાં જ કરા પડયા નહિ. પછી ફેરોએ માણસ મોકલીને મોશે તથા આરોનને બોલાવ્યા અને તેમને કહ્યું, “આ વખતે મેં પાપ કર્યું છે. પ્રભુ તો ન્યાયી છે, વાંક તો મારો તથા મારા લોકોનો છે. તમે હવે પ્રભુને વિનંતી કરો; કારણ, આ કરા અને કડાકાથી તો અમે ત્રાસી ગયા છીએ. હું તમને જવા દઈશ અને તમારે હવે અહીં વધારે વખત રહેવું નહિ પડે.” મોશેએ તેને કહ્યું, “હું જેવો શહેરમાંથી બહાર જઈશ કે તરત જ પ્રભુ તરફ મારા હાથ ઊંચા કરીને વિનંતી કરીશ એટલે કડાકા બંધ થશે અને કરા પડતા અટકી જશે. એનાથી તમે જાણશો કે પૃથ્વી તો પ્રભુની છે. પણ તમારા વિષે તથા તમારા અમલદારો વિષે તો હું જાણું છું કે તમે હજી અમારા ઈશ્વર પ્રભુથી ડરવાના નથી.” કરાથી અળસી તથા જવ નાશ પામ્યાં, કારણ, જવને ડૂંડાં થયાં હતાં અને અળસીને કળીઓ ફૂટી હતી. પણ ઘઉં અને કઠોળનો પાક થવાને વાર હોવાથી તેમને કંઈ નુક્સાન થયું નહિ. તેથી મોશેએ ફેરો પાસેથી શહેર બહાર જઈને પ્રભુ તરફ પોતાના હાથ ઊંચા કર્યા એટલે કરા તથા કડાકા બંધ થયા, ને ધોધમાર વરસાદ પણ બંધ થયો. ફેરોએ જ્યારે જોયું કે વરસાદ, કરા અને કડાકા બંધ પડયા છે, ત્યારે તેણે તથા તેના અમલદારોએ ફરીથી પાપ કરીને પોતાનાં હૃદય હઠીલાં કર્યાં. એમ પ્રભુએ મોશેને કહ્યું હતું તે પ્રમાણે ફેરોએ પોતાનું હૃદય હઠીલું કર્યું અને ઇઝરાયલીઓને જવા દીધા નહિ. પછી પ્રભુએ મોશેને કહ્યું, “તું ફેરો પાસે જા. મેં ફેરો તથા તેના અમલદારોનાં હૃદય હઠીલાં કર્યાં છે, જેથી હું તેઓ મધ્યે મારાં ચિહ્નો દેખાડું. વળી, મેં ઇજિપ્તીઓની કેવી ઠેકડી ઉડાવી અને તેઓ મધ્યે મેં કેવાં ચિહ્નો કરી બતાવ્યાં તે તું તારા પુત્રને તથા તારા પૌત્રને કહી સંભળાવે; અને એમ તમે સૌ જાણો કે હું પ્રભુ છું.” તેથી મોશે તથા આરોને ફેરો પાસે જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે. ‘ક્યાં સુધી તું મને આધીન થવાનો ઇનકાર કરીશ? મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે. જો તું મારા લોકોને જવા દેવાની ના પાડીશ, તો આવતી કાલે હું તારા દેશ પર તીડ મોકલીશ. તેઓ ભૂમિની સપાટી એવી ઢાંકી દેશે કે જમીન બિલકુલ દેખાશે નહિ. કરાની આફતમાંથી જે કંઈ તમારે માટે બચી ગયું છે તે પણ તીડો ખાઈ જશે. વળી, તમારે માટે ખેતરમાં ઊગેલાં બધાં વૃક્ષો તેઓ ખાઈ જશે. તારા મહેલો, તારા બધા અમલદારોનાં ઘર તથા સર્વ ઇજિપ્તીઓનાં ઘર તીડોથી ભરાઈ જશે. તારા પિતૃઓ અથવા તેમના પૂર્વજો આ દેશમાં વસ્યા ત્યારથી અત્યાર સુધી આવું કંઈ તેમણે જોયું નથી.” પછી મોશે ફેરો પાસેથી ચાલ્યો ગયો. ફેરોના અમલદારોએ તેને કહ્યું, “ક્યાં સુધી આ માણસ આપણે માટે આફતનું કારણ બની રહેશે? લોકોને તેમના ઈશ્વર પ્રભુની સેવાભક્તિ કરવા જવા દો. શું તમને ખ્યાલ નથી કે ઇજિપ્તનો વિનાશ થઈ ચૂક્યો છે?” તેથી મોશે તથા આરોનને ફેરો સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ફેરોએ તેમને કહ્યું, “જાઓ, જઈને તમારા ઈશ્વર પ્રભુની સેવા ભક્તિ કરો, પણ કોણ કોણ જશો?” મોશેએ જવાબ આપ્યો, “અમારા જુવાનો અને વૃદ્ધો, અમારા પુત્રો અને પુત્રીઓ અમે સૌ અમારાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક સહિત જઈશું. કારણ, અમે પ્રભુ માટે પર્વ પાળવાના છીએ.” ત્યારે ફેરોએ કહ્યું, “હું પ્રભુના સમ ખાઈને કહું છું કે હું તમને તમારી સ્ત્રીઓ અને તમારાં બાળકો સહિત જવા દઈશ નહિ. કારણ, તમે મનમાં કંઈક પેંતરો રચ્યો લાગે છે. ના, એ નહિ બને. તમારે જઈને તમારા પ્રભુની સેવાભક્તિ કરવી જ હોય, તો માત્ર પુરુષો જાઓ.” એમ બોલીને મોશે તથા આરોનને ફેરોએ પોતાની આગળથી બહાર કાઢી મૂક્યા. પછી પ્રભુએ મોશેને કહ્યું, “તારો હાથ ઇજિપ્ત પર લંબાવીને તીડ લાવ; જેથી તેઓ ઇજિપ્ત પર ચડી આવીને કરાથી બચી ગયેલી બધી વનસ્પતિ ખાઈ જાય.” તેથી મોશેએ ઇજિપ્ત દેશ પર લાકડી લંબાવી. પ્રભુએ એ આખો દિવસ અને આખી રાત પૂર્વ દિશામાંથી પવન ચલાવ્યો. સવાર સુધીમાં તો પૂર્વના પવન સાથે તીડ ચડી આવ્યાં. તીડ આખા ઇજિપ્ત પર ફેલાઈ જઈને સર્વત્ર બેઠાં. અગાઉ કદી આવ્યાં ન હોય અને હવે પછી કદી આવશે નહિ એવાં એ તીડોનાં ટોળેટોળાં હતાં. કારણ, તેમણે દેશની સપાટીને એવી છાઈ દીધી હતી કે બધી સપાટી કાળી કાળી દેખાતી હતી. કરાથી બચી ગયેલી દેશની સર્વ વનસ્પતિ અને વૃક્ષોનાં બધાં ફળ તીડો ખાઈ ગયાં. આખા ઇજિપ્તમાં છોડ કે ઝાડ પર કંઈ લીલોતરી રહેવા પામી નહિ. ત્યારે ફેરોએ મોશે અને આરોનને બોલાવીને તેમને કહ્યું, “મેં તમારા ઈશ્વર અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. માટે હું તમને વિનંતી કરું છું કે આટલી વખત મારા પાપની ક્ષમા કરો અને તમારા ઈશ્વર પ્રભુને વિનંતી કરો કે મને આ જીવલેણ આફતમાંથી છોડાવે.” તેથી મોશેએ ફેરો પાસેથી બહાર જઈને પ્રભુને વિનંતી કરી. એટલે પ્રભુએ પશ્ર્વિમમાંથી ભારે પવન ચલાવ્યો અને પવને તીડોને ઉડાવીને સૂફ સમુદ્રમાં નાખી દીધાં. આખા ઇજિપ્તમાં એકપણ તીડ રહ્યું નહિ. પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું, ને તેણે ઇઝરાયલીઓને જવા દીધા નહિ. પછી પ્રભુએ મોશેને કહ્યું, “તારો હાથ આકાશ તરફ લાંબો કર; જેથી ઇજિપ્ત પર એવો ગાઢ અંધકાર છવાઈ જાય કે જેની ભારે અસર વર્તાય.” ત્યારે મોશેએ પોતાનો હાથ આકાશ તરફ લાંબો કર્યો એટલે ત્રણ દિવસ સુધી સમગ્ર ઇજિપ્ત પર ઘોર અંધકાર વ્યાપી ગયો. તેઓ એકબીજાને જોઈ શક્તા પણ નહોતા. પણ ઇઝરાયલીઓનાં સર્વ ઘરોમાં પ્રકાશ હતો. ત્યારે ફેરોએ મોશેને બોલાવીને કહ્યું, “તમે જઈને પ્રભુની સેવાભક્તિ કરો; તમારાં બાળકોને પણ તમારી સાથે લેતા જાઓ. ફક્ત તમારાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક અહીં રહેવા દો.” પણ મોશેએ જવાબ આપ્યો, “તમારે અમને બલિદાનો અને દહનબલિ પણ લઈ જવા દેવાં જોઈએ, જેથી અમે અમારા ઈશ્વર આગળ બલિદાનો ચડાવી શકીએ. તેથી અમારાં ઢોરઢાંક પણ અમારી સાથે આવશે; એક પણ પશુ અહીં રહેવા દેવામાં આવશે નહિ. કારણ, અમારા ઈશ્વર પ્રભુની સેવાભક્તિ માટે અમારે પોતે એ ઢોરઢાંકમાંથી પસંદ કરવાં પડશે. કારણ, અમે સેવાના સ્થળે પહોંચીશું ત્યારે જ અમને ખબર પડશે કે અમારે કેવી જાતના અર્પણથી પ્રભુની સેવાભક્તિ કરવાની છે.” પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને તેણે તેમને જવા દીધા નહિ. પછી ફેરોએ મોશેને કહ્યું, “મારી આંખો આગળથી દૂર જા. ખબરદાર, હવે પછી મારું મોં જોયું છે તો! કારણ, જે દિવસે હું તને જોઈશ તે જ દિવસે તું માર્યો જશે.” મોશેએ જવાબ આપ્યો, “તમે બોલ્યા એવું જ થશે. હવે ફરી કદી હું તમારું મોં જોઈશ નહિ.” પ્રભુએ મોશેને કહ્યું, “ફેરો તથા ઇજિપ્ત ઉપર હું બીજી એક આફત લાવીશ અને તે પછી તે તમને અહીંથી જવા દેશે. તે તમને જવા દેશે ત્યારે તે તમને બધાંને હાંકી કાઢશે. હવે તું મારા તરફથી લોકોને સૂચના આપ કે પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસેથી અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણો પાસેથી સોનારૂપાનાં ઘરેણાં માગી લે.” પ્રભુએ પોતાના લોકો પ્રત્યે ઇજિપ્તીઓ સદ્ભાવના દાખવે તેમ કર્યું. વળી, ઇજિપ્તમાં એટલે ફેરોના અમલદારોની અને લોકોની દૃષ્ટિમાં મોશે મહાન વ્યક્તિ ગણાયો. મોશેએ કહ્યું, “પ્રભુ આ પ્રમાણે કહે છે: હું લગભગ મધરાતે ઇજિપ્તમાંથી પસાર થઈશ, અને ઇજિપ્તમાંના સર્વ પ્રથમજનિતો, એટલે રાજ્યાસન પર બિરાજનાર ફેરોના પ્રથમજનિત રાજકુંવરથી માંડીને ઘંટીએ દળનાર દાસીના પ્રથમજનિત સુધી સૌ, તેમ જ પ્રાણીઓનાં પ્રથમ જન્મેલાં બધાં બચ્ચાં માર્યાં જશે. ઇજિપ્તમાં અગાઉ કદી થયો ન હોય અને હવે પછી કદી થવાનો નથી એવો ભારે વિલાપ થઈ રહેશે. પણ ઇઝરાયલી લોકો અથવા તેમના પશુ સામે કૂતરુંય ભસશે નહિ. તે પરથી તમે જાણશો કે હું પ્રભુ ઇજિપ્તીઓ અને ઇઝરાયલીઓ વચ્ચે ભેદ રાખું છું.” મોશેએ કહ્યું, “આ તમારા બધા અમલદારો મારી આગળ આવીને નમી જઈને કહેશે, ‘તું તથા તને અનુસરનારા તારા સર્વ લોકો અહીંથી જતા રહો’ અને તે પછી જ હું જતો રહીશ.” પછી મોશે ક્રોધથી તપી જઈને ફેરો આગળથી ચાલ્યો ગયો. ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “ઇજિપ્તમાં હું વધારે ચમત્કારો કરી શકું તે માટે ફેરો મારું માનશે જ નહિ.” મોશે અને આરોને આ સર્વ ચમત્કારો ફેરો સમક્ષ કર્યા; પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું, ને તેણે તેના દેશમાંથી ઇઝરાયલીઓને જવા દીધા નહિ. પ્રભુએ ઇજિપ્ત દેશમાં મોશે તથા આરોનને કહ્યું, “આ માસ વર્ષના બધા માસોમાં તમારે માટે પ્રથમ માસ ગણાશે. ઇઝરાયલના આખા સમુદાયને કહો કે, આ માસના દસમા દિવસે પ્રત્યેક માણસે પોતાના કુટુંબ માટે હલવાન કે લવારું પસંદ કરવું. તેનું કુટુંબ એટલું નાનું હોય કે તેઓ એક પ્રાણી ખાઈ શકે તેમ ન હોય તો તેણે તથા તેના નિકટના પડોશીએ તેમનાં કુટુંબના માણસોની સંખ્યા પ્રમાણે પ્રાણી લેવું. પ્રત્યેક માણસના આહાર પરથી એક પ્રાણી ખાઈ શકાશે કે કેમ તેનો અંદાજ બાંધવો. તમે હલવાન કે લવારું પસંદ કરી શકો, પણ તે ખોડખામી વિનાનું અને એક વર્ષની ઉંમરનું નરજાતિનું હોવું જોઈએ. તમારે એને આ માસના ચૌદમા દિવસ સુધી રાખવું અને તે દિવસે સંધ્યા સમયે ઇઝરાયલના આખા સમુદાયે એ હલવાન કાપવાં. લોકો તેને જે ઘરમાં ખાય તેના બારણાની બન્‍ને બારસાખો તથા ઓતરંગ પર એનું થોડુંક રક્ત છાંટે. તેઓ તેનું માંસ અગ્નિમાં શેકીને કડવી ભાજી સાથે તેમ જ ખમીરરહિત રોટલી સાથે તે જ રાત્રે ખાય. તેને કાચું કે બાફીને ખાવું નહિ; પણ તેના પગ, માથું અને અંદરના અવયવો સહિત સઘળું આગમાં શેકીને ખાવું. સવાર સુધી તેમાંનું કશું બાકી રાખવું નહિ, અને છતાં કંઈ વધે તો તેને આગમાં બાળી દેવું. તમારે કમરે પટ્ટો બાંધીને, પગરખાં પહેરીને અને હાથમાં લાકડી રાખીને મુસાફરી માટે તૈયાર રહી તે ખાવું. તમારે તે જલદી જલદી ખાઈ લેવું. એ તો મને પ્રભુને માન આપવાનું પાસ્ખાપર્વ છે. “તે રાત્રે હું આખા ઇજિપ્ત દેશમાં ફરીશ અને ઇજિપ્તીઓ અને તેમનાં પ્રાણીઓનાં સર્વ પ્રથમજનિતોનો સંહાર કરીશ. હું ઇજિપ્તના સર્વ દેવોને સજા કરીશ. હું પ્રભુ છું. તમે જે ઘરમાં રહો છો તેના બારણા પરનું રક્ત તમારા હક્કમાં નિશાનીરૂપ બનશે. હું ઇજિપ્તીઓને સજા કરીશ ત્યારે એ રક્ત જોઈને હું તમારી પાસેથી પસાર થઈ આગળ ચાલ્યો જઈશ, એટલે તમારે જીવલેણ પ્રહારના ભોગ બનવું નહિ પડે. મેં પ્રભુએ તમારે માટે કરેલાં કાર્યની યાદગીરીમાં તમારે મારા માનાર્થે આ દિવસ ઊજવવો. તમારે એને કાયમી વિધિ તરીકે પેઢી દરપેઢી ઊજવવો.” પ્રભુએ કહ્યું, “સાત દિવસ સુધી તમારે ખમીરરહિત રોટલી ખાવી. પર્વના પ્રથમ દિવસથી જ તમારે તમારાં ઘરમાંથી ખમીર દૂર કરવું; આ સાત દિવસ દરમ્યાન જો કોઈ વ્યક્તિ ખમીરવાળી રોટલી ખાય તો તેનો ઇઝરાયલી સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે. પ્રથમ તથા સાતમે દિવસે તમારે પવિત્ર ભક્તિસભા માટે એકત્ર થવું. આ દિવસો દરમ્યાન તમારે રસોઈ બનાવવા સિવાય અન્ય કંઈ કામ કરવું નહિ. “તમારે ખમીરરહિત રોટલીનું પર્વ પાળવું કારણ, આ જ દિવસે હું તમારાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છું. તેથી તમારે કાયમી વિધિ તરીકે આ દિવસને વંશપરંપરાના પર્વ તરીકે ઊજવવો. પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી એકવીસમા દિવસની સાંજ સુધી તમારે ખમીરરહિત રોટલી ખાવી. સાત દિવસ સુધી તમારાં ઘરોમાં જરા પણ ખમીર હોવું જોઈએ નહિ. કારણ, જો કોઈ વ્યક્તિ ખમીરવાળો કંઈપણ ખોરાક ખાય તો તે વ્યક્તિનો ઇઝરાયલી સમાજમાંથી બહિષ્કાર કરવો; પછી ભલે તે દેશનો વતની હોય કે પરદેશી હોય. તમારે ખમીરવાળી કોઈપણ ચીજ ખાવી નહિ. તમારાં સર્વ નિવાસસ્થાનોમાં તમારે ખમીરરહિત રોટલી ખાવી.” *** મોશેએ ઇઝરાયલના સર્વ આગેવાનોને બોલાવીને તેમને કહ્યું, “જાઓ, તમારા કુટુંબના પ્રમાણમાં હલવાન લાવીને કાપો; જેથી તમારાં કુટુંબો પાસ્ખાપર્વ ઊજવી શકે. ઝુફાની ડાળખી લઈ તેને વાસણમાંના રક્તમાં બોળીને ઓતરંગ તથા બન્‍ને બારસાખો પર છાંટો. સવાર થાય ત્યાં સુધી તમારે કોઈએ ઘરના બારણાની બહાર જવું નહિ.” પ્રભુ ઇજિપ્તીઓનો સંહાર કરવા ઇજિપ્ત દેશમાંથી પસાર થશે ત્યારે ઓતરંગ અને બન્‍ને બારસાખો પરનું રક્ત જોશે, અને તે તમારા બારણા પાસેથી પસાર થઈને વિનાશક દૂતને તમારા ઘરમાં પ્રવેશીને તમારો સંહાર કરવા દેશે નહિ. “તમારે અને તમારાં સંતાનોએ નિત્યના વિધિ તરીકે આ નિયમો હરહંમેશ પાળવાના છે. 5ોતાના વચન પ્રમાણે પ્રભુ તમને જે દેશ આપે તેમાં તમે જાઓ, ત્યારે તમારે આ વિધિ પાળવો. જ્યારે તમારાં બાળકો તમને પૂછે કે, ‘આ વિધિનો અર્થ શો છે?’ ત્યારે તમારે તેમને આવો જવાબ આપવો: આ તો પ્રભુના સન્માનાર્થે પાસ્ખાનું બલિદાન છે; કારણ, તેમણે ઇજિપ્તીઓનો સંહાર કર્યો ત્યારે તેમણે આપણાં ઘરો પાસેથી પસાર થઈને આપણને બચાવી લીધા.” ત્યારે લોકોએ માથાં નમાવીને આરાધના કરી. પછી તેઓ ત્યાંથી ગયા અને પ્રભુએ મોશે તથા આરોનને આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેમણે કર્યું. મધરાતે પ્રભુએ ઇજિપ્ત દેશના સર્વ પ્રથમજનિત પુત્રોને મારી નાખ્યા. રાજ્યાસન પર બિરાજનાર ફેરોના પ્રથમજનિતથી માંડીને જેલના કેદીના પ્રથમજનિત સુધી સૌનો સંહાર કર્યો. તેમણે પશુઓનાં સર્વ પ્રથમ જન્મેલાંને પણ મારી નાખ્યાં. તે રાત્રે ફેરો, તેના અમલદારો અને સર્વ ઇજિપ્તીઓ જાગી ઊઠયા, અને આખા ઇજિપ્તમાં ભારે વિલાપ થયો. કારણ, એવું એકપણ ઘર નહોતું કે જ્યાં પુત્રનું મૃત્યુ થયું ન હોય. તે જ રાત્રે ફેરોએ મોશે તથા આરોનને બોલાવીને કહ્યું, “તમે અને તમારા ઇઝરાયલી લોકો અહીંથી ચાલ્યા જાઓ; મારો દેશ છોડીને જતા રહો અને તમારા કહેવા પ્રમાણે અહીંથી જઈને પ્રભુની સેવાભક્તિ કરો. તમારા કહેવા પ્રમાણે તમારાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક પણ લઈ જાઓ અને મને આશિષ મળે એવી પ્રાર્થના કરો.” ઇજિપ્તીઓએ એ લોકોને દેશમાંથી સત્વરે નીકળી જવા આગ્રહભરી વિનંતી કરી. તેમણે કહ્યું, “તમે નહિ જાઓ તો અમે બધાં માર્યાં જઈશું.” ઇઝરાયલી લોકોએ ખમીરરહિત લોટના પિંડ કથરોટમાં ભરીને તેમના ઉપરણામાં વીંટાળી લીધા અને ખભે ઊંચકીને ચાલી નીકળ્યા. વળી, ઇઝરાયલી લોકોએ મોશેની સૂચના પ્રમાણે ઇજિપ્તીઓ પાસેથી સોનાચાંદીનાં આભૂષણો તથા વસ્ત્રો માગી લીધાં. પ્રભુએ ઈજિપ્તીઓની દૃષ્ટિમાં એ લોકો પ્રત્યે આદરભાવ પેદા કર્યો. તેથી તેમણે જે કંઈ માગ્યું તે ઇજિપ્તીઓએ તેમને આપ્યું. આ રીતે ઇઝરાયલીઓએ ઇજિપ્તીઓની સઘળી સંપત્તિ લઈ લીધી. ઇઝરાયલી લોકો રામસેસથી સુક્કોથ જવા પગપાળા ચાલી નીકળ્યા. સ્ત્રીઓ અને બાળકો સિવાય તેઓ આશરે છ લાખ પુરુષો હતા. ઇઝરાયલીઓ સિવાય અન્ય જાતિના પણ ઘણા લોકો તેમની સાથે હતા. વળી, પુષ્કળ ઘેટાંબકરાં અને ઢોરઢાંક પણ તેમની સાથે ચાલી નીકળ્યાં. લોટના જે પિંડ તેઓ ઇજિપ્તમાંથી લેતા આવ્યા હતા તેમાંથી તેમણે ખમીરરહિત રોટલી પકાવી. કારણ, ઇજિપ્તમાંથી તેમને ઓચિંતા કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેથી લોટને ખમીર દેવાનો કે મુસાફરી માટે ખોરાક બનાવી લેવાનો તેમને સમય મળ્યો નહોતો. ઇઝરાયલીઓ ઇજિપ્તમાં 430 વર્ષ રહ્યા. જે દિવસે 430 વર્ષ પૂરાં થયાં તે જ દિવસે પ્રભુના લોકોનાં સર્વ કુળસૈન્યો ઇજિપ્તમાંથી નીકળી ગયાં. પ્રભુ તેમને જે રાત્રે ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા તે રાત્રે તે સજાગ હતા, તેથી સર્વ ઇઝરાયલીઓએ તે રાત પ્રભુના માનાર્થે જાગરણની રાત તરીકે ઊજવવાની છે. પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “પાસ્ખાવિધિ અંગે આ નિયમો છે: કોઈ પરદેશી પાસ્ખાભોજનમાંથી ખાય નહિ. પણ મૂલ્ય આપીને ખરીદેલો ગુલામ સુન્‍નત કરાવ્યા બાદ તેમાંથી ખાઈ શકે. કોઈ પ્રવાસી અથવા પગારદાર નોકર તેમાંથી ખાય નહિ. જે ઘરમાં ભોજન તૈયાર કરવામાં આવ્યું હોય તે જ ઘરમાં પૂરેપૂરું ભોજન કરવું: તેમાંથી તમારે કંઈ બહાર લઈ જવું નહિ. વળી, તમારે પ્રાણીનું એક પણ હાડકું ભાંગવું નહિ. ઇઝરાયલના સમગ્ર સમુદાયે આ પર્વ ઊજવવું; પરંતુ સુન્‍નત કરાવ્યા વગરના કોઈપણ માણસે પાસ્ખા ભોજનમાંથી ખાવું નહિ. તમારી મધ્યે કોઈ પરદેશી વસતો હોય અને પ્રભુનું પાસ્ખા પાળવાની તેની ઇચ્છા હોય તો તમારે પ્રથમ તેના ઘરના સર્વ પુરુષોની સુન્‍નત કરવી. ત્યાર પછી જ તે દેશમાં જન્મેલા ઇઝરાયલી જેવો ગણાય અને પાસ્ખામાં ભાગ લઈ શકે. દેશમાં જન્મેલા ઇઝરાયલીઓ તેમ જ પરદેશીઓ સૌને માટે આ નિયમો છે.” સર્વ ઇઝરાયલીઓએ આધીન થઈને પ્રભુએ મોશે તથા આરોનને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું. પ્રભુ તે દિવસે ઇઝરાયલનાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા. પ્રભુએ મોશેને કહ્યું, “તમારા સર્વ પ્રથમ જનિત નરનું મને સમર્પણ કરો. કારણ, પ્રથમ પ્રસવથી જન્મ પામનાર પ્રત્યેક ઇઝરાયલી પુરુષ તથા પ્રત્યેક નર પશુ મારા છે.” મોશેએ લોકોને કહ્યું, “આ જે દિવસે તમે ઇજિપ્તમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા છો, તે દિવસને યાદ રાખો. કારણ, આ જ દિવસે પ્રભુ પોતાના બાહુબળથી તમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી. તમે પ્રથમ માસ, એટલે આબીબ માસના આ દિવસે નીકળ્યા છો. પ્રભુએ તમારા પૂર્વજોને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ અને યબૂસી જાતિઓનો જે દેશ તમને આપવાનું વચન આપ્યું હતું તે દૂધમધની રેલમછેલવાળા દેશમાં લાવે ત્યારે પ્રતિ વર્ષે પ્રથમ માસમાં તમારે આ વિધિ પાળવો. સાત દિવસ તમારે ખમીર વગરની રોટલી ખાવી અને સાતમે દિવસે પ્રભુના માનમાં પર્વ ઊજવવું. એ સાત દિવસ તમારે ખમીર વગરની જ રોટલી ખાવાની છે. એ દિવસો દરમ્યાન તમારા દેશમાં કોઈપણ સ્થળે ખમીર કે ખમીરવાળી રોટલી હોવાં જોઈએ નહિ. પર્વની શરૂઆતમાં તમારે તમારા પુત્રોને તેની સમજ આપવી: “અમે ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારે પ્રભુએ અમારે માટે જે કાર્યો કર્યાં તેને લીધે અમે આવું કરીએ છીએ.” આ વિધિ તમારા હાથે બાંધેલ અને કપાળે લટકાવેલ ચિહ્ન જેવું યાદગીરીરૂપ બની જશે. એનાથી પ્રભુનો નિયમ તમારે હોઠે રહેશે. પ્રભુ પોતાના મહાન સામર્થ્ય વડે તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છે. તમારે દર વરસે નિયત સમયે આ વિધિ પાળવો.” “પ્રભુએ તમને તથા તમારા પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તે તમને કનાનીઓના દેશમાં લાવે અને તે દેશ તમને આપે, ત્યારે તમારે પ્રથમ પ્રસવથી જન્મ પામનાર તમામનું પ્રભુને સમર્પણ કરવું. પ્રાણીઓના પ્રથમ જન્મેલા નર બચ્ચાનું પ્રભુને સમર્પણ કરવું. કારણ, તેઓ પ્રભુનાં છે. પરંતુ પ્રથમજનિત ગધેડાની અવેજીમાં ઘેટાનું સમર્પણ કરવું; એમ ગધેડાને છોડાવી લેવો. પરંતુ જો તમે તેને છોડાવવા માગતા ન હો તો તેની ગરદન ભાંગી નાખવી. તમારે તમારા પ્રથમજનિત પુત્રોને પણ મૂલ્ય આપીને છોડાવી લેવા. ભવિષ્યમાં તમારો પુત્ર તમને પૂછે કે, ‘આ વિધિનો શો અર્થ થાય છે?’ ત્યારે તમારે તેને આમ કહેવું: ‘પ્રભુ અમને પોતાના બાહુબળથી ઇજિપ્તમાંથી એટલે ગુલામગીરીમાંથી બહાર કાઢી લાવ્યા હતા. તે સમયે ફેરોએ હઠે ચડીને અમને જવા દેવાની ના પાડી, ત્યારે પ્રભુએ ઇજિપ્તીઓના પ્રથમજનિત મનુષ્યો અને પ્રાણીઓના સર્વ પ્રથમજનિતોનો સંહાર કર્યો હતો. તેને લીધે પશુઓના પ્રત્યેક પ્રથમ જન્મેલા બચ્ચાનું હું પ્રભુને બલિદાન ચડાવું છું, અને પ્રથમજનિત પુત્રોને મૂલ્ય આપીને છોડાવી લઉં છું.” આમ, આ વિધિ આપણા હાથ પર ચિહ્ન અને કપાળે લટકાવેલ આભૂષણ જેવો યાદગીરીરૂપ બની રહેશે. પ્રભુ પોતાના મહાન બાહુબળથી આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા તેની તે આપણને યાદ અપાવશે.” ફેરોએ ઇઝરાયલી લોકોને જવા દીધા ત્યારે સમુદ્રને કિનારે કિનારે પલિસ્તીઓના દેશમાં જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં ઈશ્વર તેમને તે રસ્તે થઈને લઈ ગયા નહિ. ઈશ્વરે એવું વિચાર્યું કે, “ યુદ્ધ જોઈને આ લોકોનો વિચાર બદલાઈ જાય અને તેઓ પાછા ઇજિપ્તમાં ચાલ્યા જાય એવું હું ચાહતો નથી.” તેથી ઈશ્વરે તેમને ફંટાવીને સૂફ (બરુ) સમુદ્ર તરફ રણપ્રદેશના માર્ગે થઈને ચલાવ્યા. ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી શસ્ત્રસજ્જિત થઈ નીકળ્યા હતા. મોશેએ પોતાની સાથે યોસેફનાં અસ્થિ પણ લઈ લીધાં. કારણ, યોસેફે ઇઝરાયલીઓને સોગન દઈને કહ્યું હતું, “ઈશ્વર તમને અહીંથી છોડાવે ત્યારે તમારી સાથે મારાં અસ્થિ લઈ જજો.” પછી ઇઝરાયલીઓએ સુક્કોથથી નીકળીને રણપ્રદેશની સરહદે આવેલ એથામમાં છાવણી નાખી. પ્રભુ દિવસ દરમ્યાન માર્ગ બતાવવાને મેઘસ્થંભમાં અને રાત્રે પ્રકાશ આપવાને અગ્નિસ્થંભમાં તેમની આગળ આગળ ચાલતા હતા, જેથી લોકો દિવસરાત મુસાફરી કરી શક્તા. દિવસ દરમ્યાન મેઘસ્થંભ અને રાત્રિ દરમ્યાન અગ્નિસ્થંભ હમેશાં તેમની આગળ રહેતો. પછી પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલીઓને કહે કે તેઓ પાછા ફરીને પીહાહીરોથ સામે, એટલે મિગ્દોલ તથા સૂફ સમુદ્રની વચ્ચે બઆલ સાફોન નજીક બરાબર સમુદ્રકિનારે પડાવ નાખે.” ફેરો વિચારશે કે ઇઝરાયલીઓ દેશમાં ભૂલા પડી રઝળી રહ્યા છે અને રણપ્રદેશમાં અટવાઈ પડયા છે. હું તેનું હૃદય હઠીલું કરીશ, એટલે તે તમારી પાછળ પડશે; અને ફેરો તથા તેના સૈન્ય ઉપર વિજય મેળવીને હું મારો મહિમા વધારીશ. ત્યારે ઇજિપ્તીઓ જાણશે કે હું પ્રભુ છું.” ઇઝરાયલીઓએ તે પ્રમાણે કર્યું. જ્યારે ફેરોને ખબર મળી કે ઇઝરાયલી લોકો નાસી છૂટયા છે ત્યારે તેનું તથા તેના અધિકારીઓનું મન ફરી ગયું અને તેમણે કહ્યું, “આપણે આ શું કર્યું? ઇઝરાયલીઓને જવા દઈને તો આપણે આપણા ગુલામો ગુમાવ્યા!” ફેરોએ પોતાનો રથ તૈયાર કર્યો અને તે રીતે લશ્કરને પણ તૈયાર કરાવ્યું. તેણે પસંદ કરેલા 600 રથ તેમ જ પોતાના અન્ય સર્વ રથ અને અધિકારીઓને સાથે લીધા. પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને તે વિજયપૂર્વક નીકળેલા ઇઝરાયલીઓની પાછળ પડયો. સમગ્ર ઇજિપ્તી સૈન્ય અને ફેરોના સર્વ ઘોડા, રથો તથા તેના સવારોએ તેમનો પીછો કર્યો. ઇઝરાયલીઓ જ્યાં બઆલ સાફોન તથા પીહાહીરોથ આગળ સૂફ સમુદ્રને કાંઠે છાવણી નાખી પડયા હતા ત્યાં ઇજિપ્તીઓએ તેમને પકડી પાડયા. જ્યારે ઇઝરાયલીઓએ ફેરો તથા તેના સૈન્યને પોતાની પાછળ ધસી આવતા જોયા ત્યારે તેઓ ખૂબ જ ભયભીત થઈ ગયા અને તેમણે પ્રભુને પોકાર કર્યો. તેમણે મોશેને કહ્યું, “શું ઇજિપ્તમાં કબરો નહોતી કે તું અમને અહીં રણપ્રદેશમાં મરવા લઈ આવ્યો છે? ઇજિપ્તમાંથી નીકળ્યા તે પહેલાં જ અમે તને નહોતું કહ્યું કે અમને અહીં ઇજિપ્તીઓની ગુલામીમાં રહેવા દે? અહીં રણપ્રદેશમાં મરવા કરતાં તેમના ગુલામ થઈને રહેવાનું અમારે માટે વધારે સારું હતું.” મોશેએ જવાબ આપ્યો, “ગભરાશો નહિ. મક્કમ રહો, અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો. આ ઇજિપ્તીઓને તમે ફરી કદી જોશો નહિ. પ્રભુ પોતે તમારે માટે યુદ્ધ કરશે; તમારે તો માત્ર શાંત રહેવાનું છે.” પ્રભુએ મોશેને કહ્યું, “તું મને કેમ પોકારે છે? ઇઝરાયલી લોકોને આગળ વધવાનો આદેશ આપ. તારા હાથમાં તારી લાકડી લઈને સમુદ્ર તરફ લંબાવ, એટલે સમુદ્ર બે ભાગમાં વહેંચાઈ જશે અને ઇઝરાયલીઓ સમુદ્ર મધ્યે થઈને સૂકી જમીન પર ચાલીને જશે. વળી, સાંભળ: હું ઇજિપ્તીઓનું હૃદય હઠીલું કરીશ; જેથી તેઓ તમારી પાછળ પડશે. ત્યારે ફેરો, તેનું સૈન્ય, તેના રથો તથા તેના સવારો પર વિજય પામીને હું મારો મહિમા વધારીશ. હું ઇજિપ્તીઓ પર સરસાઈ મેળવીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” ઈશ્વરનો દૂત જે ઇઝરાયેલીઓનાં કુળસૈન્યો આગળ ચાલતો હતો તે ત્યાંથી ખસીને તેમની પાછળ ગયો. મેઘસ્થંભ પણ ખસીને તેમની પાછળ ગયો, અને ઇજિપ્તીઓ તથા ઇઝરાયલીઓની વચ્ચે આવીને થંભ્યો. મેઘસ્થંભ ઇજિપ્તીઓ માટે અંધકારરૂપ પણ ઇઝરાયલીઓ માટે પ્રકાશદાયક હતો; તેથી તે આખી રાત એક સૈન્ય બીજા સૈન્ય પાસે આવી શકાયું નહિ. મોશેએ પોતાનો હાથ સમુદ્ર ઉપર લાંબો કર્યો, એટલે પ્રભુએ પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત ચલાવીને તેને પાછો હઠાવ્યો. પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત વાયો અને તેથી સમુદ્રના બે ભાગ પડી ગયા અને સમુદ્ર મધ્યે સૂકી જમીન થઈ ગઈ. ઇઝરાયલીઓ સમુદ્ર મધ્યે કોરી જમીન પર થઈને ચાલ્યા ત્યારે સમુદ્રનાં પાણી તેમની જમણી તેમ જ ડાબી બાજુએ ભીંતરૂપ થઈ ગયાં. પણ ઇજિપ્તીઓ તેમની પાછળ પડયા અને ફેરોના સર્વ ઘોડા, તેના રથો તથા તેના સવારો તેમની પાછળ પાછળ સમુદ્ર મધ્યે ગયા. સૂર્યોદય પહેલાં મેઘસ્થંભ અને અગ્નિસ્થંભમાંથી પ્રભુએ ઇજિપ્તી સૈન્ય ઉપર નજર કરીને તેમને ભારે ગભરાટમાં નાખી દીધા. તેમણે ઇજિપ્તીઓના રથોનાં પૈડાં ફસાવી દીધાં જેથી તેમને રથો ચલાવવાનું મુશ્કેલ થઈ પડયું. ત્યારે ઇજિપ્તીઓએ કહ્યું, “પ્રભુ ઇઝરાયલીઓના પક્ષમાં રહીને આપણી વિરુદ્ધ લડે છે, માટે આપણે અહીંથી નાસી છૂટીએ.” પ્રભુએ મોશેને કહ્યું, “તારો હાથ સમુદ્ર પર લાંબો કર કે ઇજિપ્તીઓ, તેમના રથો અને તેમના સવારો ઉપર સમુદ્રનાં પાણી ફરી વળે.” તેથી મોશેએ પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો અને સવાર થતાં સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં આવી ગયો. ઇજિપ્તીઓએ સમુદ્રમાંથી નાસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રભુએ તેમને સમુદ્ર મધ્યે ડુબાડી દીધા. પાણી પાછાં આવીને રથો, તેના સવારો તથા સમુદ્રમાં ઇઝરાયલીઓ પાછળ પડેલા ઇજિપ્તીઓના સમગ્ર સૈન્ય પર ફરી વળ્યાં; તેમનામાંથી એકપણ બચ્યો નહિ. પરંતુ ઇઝરાયલીઓ તો સમુદ્ર મધ્યે કોરી જમીન પર થઈને ચાલ્યા અને સમુદ્રનાં પાણી તેમની બન્‍ને બાજુએ ભીંતરૂપ થઈ ગયાં હતાં. તે દિવસે પ્રભુએ ઇઝરાયલીઓને ઇજિપ્તીઓના હાથમાંથી બચાવ્યા અને ઇઝરાયલીઓએ ઇજિપ્તીઓને સમુદ્રકાંઠે પડેલા જોયા. જ્યારે ઇઝરાયલીઓએ ઇજિપ્તીઓને પરાજિત કરી દેનાર પ્રભુનું મહાન સામર્થ્ય જોયું ત્યારે તેઓ પ્રભુ પ્રત્યેના અહોભાવથી સ્તબ્ધ થઈ ગયા અને તેમને પ્રભુ તથા તેમના સેવક મોશે પર વિશ્વાસ બેઠો. પછી મોશે અને ઇઝરાયલીઓએ પ્રભુ આગળ આ ગીત ગાયું: “હું પ્રભુ આગળ ગાઈશ; કારણ, તેમણે મહાન વિજય મેળવ્યો છે. તેમણે ઘોડા અને તેમના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે. પ્રભુ મારું સામર્થ્ય તથા ગીત છે; તે જ મારા ઉદ્ધારક છે. તે મારા ઈશ્વર છે, હું તેમની સ્તુતિ કરીશ. તે મારા પિતાના ઈશ્વર છે; તેમની મહાનતાનાં ગુણગાન ગાઈશ. પ્રભુ શૂરવીર સૈનિક છે; તેમનું નામ યાહવે છે. તેમણે ફેરોના રથો અને ઇજિપ્તના લશ્કરને સમુદ્રમાં ફેંકી દીધા; તેના ચુનંદા સવારો સૂફ સમુદ્રમાં ડૂબી ગયા. ઊંડા સાગરે તેમને ઢાંકી દીધા; તેઓ પથ્થરની જેમ ઊંડા પાણીમાં ડૂબી ગયા. હે પ્રભુ, તમારો જમણો હાથ સામર્થ્યમાં મહા પરાક્રમી છે; તે દુશ્મનને અફાળીને તેમના ચૂરા કરે છે. ભવ્ય વિજયમાં તમે તમારા શત્રુઓને પાયમાલ કરી નાખો છો; તમારો કોપ ભભૂકી ઊઠે છે અને તેઓ ભૂસાની જેમ ભસ્મ થઈ જાય છે. તમારા નસકોરાંના શ્વાસથી સમુદ્રનાં પાણી ઢગલો થઈ ગયાં, મોજાંઓ થંભીને સીધી દીવાલરૂપ બની ગયાં; સમુદ્રના ઊંડાણનાં પાણી ઘટ્ટ થઈ ગયાં. દુશ્મને કહ્યું, ‘હું તેમનો પીછો કરીશ, તેમને પકડી પાડીશ; હું તેમની સંપત્તિ લૂંટીને વહેંચી લઈશ અને તેનાથી મારી મનોકામના પૂર્ણ થશે. હું તલવાર ખેંચીને મારી જાતે તેમનો નાશ કરીશ.’ પરંતુ તમે તમારો શ્વાસ ફૂંકયો અને ઇજિપ્તીઓ સમુદ્રમાં ડૂબી ગયા, તેઓ ઊંડા પાણીમાં સીસાની જેમ ડૂબી ગયા. હે પ્રભુ, તમારા જેવા બીજા ઈશ્વર કોણ છે? પવિત્રતામાં પ્રતાપી, મહિમામાં ભયાવહ અને અદ્‍ભુત કાર્યો કરનાર બીજો કોણ છે? તમે તમારો જમણો હાથ લંબાવ્યો એટલે પૃથ્વી અમારા દુશ્મનોને ગળી ગઈ. તમારા વચનને વિશ્વાસુ રહીને જેમને તમે છોડાવ્યા છે તેમને તમે દોરો છો. તમારા સામર્થ્ય વડે તમે તેમને તમારી પવિત્ર ભૂમિમાં લઈ જાઓ છો. એ સાંભળીને પ્રજાઓ ભયથી કાંપે છે; પલિસ્તીઓમાં આતંક છવાઈ ગયો છે. અદોમના આગેવાનો ગભરાઈ ગયા છે; મોઆબના બળવાન પુરુષો થરથરે છે. કનાનના સર્વ રહેવાસીઓ હિંમત ગુમાવી બેઠા છે; તેમનામાં ભય અને ગભરાટ વ્યાપી ગયો છે. હે પ્રભુ, જ્યાં સુધી તમારા લોકોનું પ્રયાણ પૂરું ન થાય, જ્યાં સુધી તમે ગુલામીમાંથી છોડાવેલા લોકો પેલે પાર પહોંચી ન જાય, ત્યાં સુધી તમારા હાથનું સામર્થ્ય જોઈને તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ જશે. હે પ્રભુ, જે જગ્યા તમારા નિવાસસ્થાન માટે તમે પસંદ કરી છે. જે પવિત્રસ્થાન તમે તમારે હાથે સ્થાપ્યું છે તેમાં, એટલે તમારા વતનના પર્વતમાં તમે તેમને લાવીને રોપશો. પ્રભુ, તમે સર્વકાળ રાજ કરો છો.” ફેરોના ઘોડા, રથો અને તેમના સવારો સમુદ્ર મધ્યે ગયા ત્યારે પ્રભુએ સમુદ્રનાં પાણી પાછાં વાળીને તેમની પર ફેરવી વાળ્યાં; પરંતુ ઇઝરાયલીઓ તો સમુદ્ર મધ્યે કોરી જમીન પર ચાલ્યા. એને લીધે, આરોનની બહેન સંદેશવાહિકા મિર્યામે ખંજરી લીધી; અને બધી સ્ત્રીઓ ખંજરી વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી. મિર્યામે તેમની સાથે આ ગીત ગાયું: “પ્રભુની આગળ ગાયન ગાઓ; કારણ, તેમણે મહાન વિજય મેળવ્યો છે. તેમણે ઘોડા અને તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.” પછી મોશે ઇઝરાયલીઓને સૂફ સમુદ્રથી આગળ લઈ ગયો અને તેઓ શૂરના રણપ્રદેશમાં આવ્યા. તેઓ ત્રણ દિવસ સુધી રણપ્રદેશમાં ચાલ્યા પણ તેમને પાણી મળ્યું નહિ. પછી તેઓ ‘મારા’ નામના સ્થળે આવ્યા. પરંતુ ત્યાંનાં પાણી એટલાં કડવાં હતાં કે તેઓ તે પી શકાયા નહિ. માટે તે સ્થળનું નામ મારા (એટલે, કડવાશ) પડયું. ત્યારે લોકોએ મોશે વિરુદ્ધ કચકચ કરતાં કહ્યું, “અમે શું પીએ?” મોશેએ પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તેને એક વૃક્ષનું ઠૂંઠું બતાવ્યું. મોશેએ એને લઈને પાણીમાં નાખ્યું એટલે પાણી મીઠાં બની ગયાં. પ્રભુએ ત્યાં એ લોકોને માટે વિધિઓ અને નિયમો ઘડયા અને તેમણે લોકોની ક્સોટી કરી. તેમણે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી વાણી સાંભળશો, મારી દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરશો અને મારી આજ્ઞાઓ પાળશો અને એ રીતે સંપૂર્ણ રીતે મને આધીન રહેશો તો જે રોગ હું ઇજિપ્તીઓ પર લાવ્યો તેમાંનો એક પણ રોગ હું તમારા પર મોકલીશ નહિ; કારણ, હું ‘યાહવે - રોફેકા’ એટલે તમને સાજા કરનાર તમારો પ્રભુ છું.” પછી તેઓ એલીમમાં આવ્યા; ત્યાં બાર ઝરણાં અને સિત્તેર ખજૂરીઓ હતાં. ત્યાં પાણીની નજીક તેમણે મુકામ કર્યો. પછી ઇઝરાયલનો સમગ્ર સમાજ એલીમથી ચાલી નીકળ્યો. ઇજિપ્તમાંથી નીકળ્યાને બીજા માસના પંદરમે દિવસે તેઓ એલીમ તથા સિનાઈ પર્વત વચ્ચે આવેલા સીન નામના રણપ્રદેશમાં આવી પહોંચ્યા. અહીં રણપ્રદેશમાં સર્વ ઇઝરાયલી લોકો મોશે તથા આરોન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા. ઇઝરાયલીઓએ તેમને કહ્યું, “પ્રભુએ અમને ઇજિપ્તમાં જ મારી નાખ્યા હોત તો સારું થાત. ત્યાં અમે માંસનાં હાલ્લાં પાસે બેસીને ધરાઈને ખોરાક ખાત; પરંતુ તમે તો અમને આ રણપ્રદેશમાં ભૂખે મારવા લઈ આવ્યા છો.” ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું તમારે માટે આકાશમાંથી ખોરાક વરસાવીશ; લોકો રોજ બહાર જઈને તે દિવસ પૂરતો ખોરાક એકઠો કરે. આ રીતે હું તેમની ક્સોટી કરીશ કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલશે કે નહિ. પરંતુ છઠ્ઠે દિવસે તેઓ દરરોજના કરતાં બમણો ખોરાક એકઠો કરીને રાંધી રાખે.” તેથી મોશે તથા આરોને સર્વ ઇઝરાયલીઓને કહ્યું, “આજે સાંજે તમે જાણશો કે તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર પ્રભુ છે. સવારે તમે પ્રભુના ગૌરવને જોશો. તેમની વિરુદ્ધની તમારી કચકચ તેમણે સાંભળી છે. તમારી કચકચ તેમની વિરુદ્ધની છે; કારણ, અમારી શી વિસાત કે તમે અમારી વિરુદ્ધ કચકચ કરો?” પછી મોશેએ કહ્યું, “પ્રભુ સાંજે તમને ખાવાને માંસ અને સવારે તમે ધરાઈને ખાઓ એટલી રોટલી આપશે. કારણ, તેમણે તમારી કચકચ સાંભળી છે. ખરેખર તો તમે પ્રભુ વિરુદ્ધ જ કચકચ કરો છો; બાકી અમારી તે શી વિસાત?” મોશેએ આરોનને કહ્યું, “ઇઝરાયલના આખા સમાજને પ્રભુ આગળ હાજર થવા જણાવ; કારણ, પ્રભુએ તેમની કચકચ સાંભળી છે.” આરોન ઇઝરાયલના આખા સમાજ આગળ બોલી રહ્યો હતો ત્યારે તેમણે રણપ્રદેશ તરફ દૃષ્ટિ કરી તો તેમને એકાએક પ્રભુનું ગૌરવ વાદળમાં દેખાયું. પ્રભુએ મોશેને કહ્યું, “મેં ઇઝરાયલીઓની કચકચ સાંભળી છે. તેમને કહે કે સાંજે તમે માંસ ખાશો અને સવારે ધરાઈને રોટલી ખાશો; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ, તમારો ઈશ્વર છું.” સાંજના સમયે લાવરીઓનાં મોટાં ટોળાં આવ્યાં, અને તેમણે આખી છાવણી ઢાંકી દીધી. વળી, સવારે છાવણીની આસપાસ ઝાકળ પડયું, અને જ્યારે ઝાકળ ઊડી ગયું ત્યારે રણપ્રદેશમાં જમીનની સપાટી પર હિમ જેવો બારીક, નાનો ગોળ પદાર્થ પડેલો હતો. ઇઝરાયલીઓ તે જોઈને પૂછવા લાગ્યા, “માન્‍ના,” અર્થાત્ “આ શું છે?” કારણ, એ શું હતું તે તેઓ જાણતા નહોતા. મોશેએ તેમને કહ્યું, “આ તો પ્રભુએ તમને ખાવા માટે આપેલો ખોરાક છે. પ્રભુએ આજ્ઞા આપી છે કે તમારે સૌએ તમારા તંબુમાં રહેનાર તમારા ઘરકુટુંબની જરૂરિયાતના પ્રમાણમાં સભ્યદીઠ એક ઓમેરભર એટલે લગભગ બે કિલો જેટલું એકઠું કરવું.” ઇઝરાયલીઓએ તે પ્રમાણે કર્યું. કેટલાકે વધારે તો કેટલાકે ઓછો ખોરાક એકઠો કર્યો. પરંતુ જ્યારે તેમણે તે ઓમેરથી માપ્યો, તો જેમણે વધારે ખોરાક એકઠો કર્યો હતો તેમની પાસે વધી પડયો નહિ અને જેમણે ઓછો એકઠો કર્યો તેમની પાસે ખૂટી પડયો નહિ. દરેક પાસે પોતાની જરૂરિયાત જેટલો જ ખોરાક એકઠો થયો હતો. મોશેએ કહ્યું, “કોઈએ આવતી કાલ માટે ખોરાક રાખી મૂકવો નહિ.” પરંતુ કેટલાકે મોશેનું કહેવું સાંભળ્યું નહિ, પણ ખોરાક રાખી મૂક્યો. બીજે દિવસે તેમાં કીડા પડયા અને ખોરાક ગંધાઈ ઊઠયો એટલે મોશે તેમના પર ગુસ્સે થયો. દરરોજ સવારે પ્રત્યેક વ્યક્તિ પોતાની જરૂરિયાત જેટલો ખોરાક એકઠો કરતી; પરંતુ જ્યારે સૂર્ય તપતો ત્યારે જમીન પર પડેલો ખોરાક પીગળી જતો. છઠ્ઠે દિવસે તેમણે બમણો, એટલે વ્યક્તિદીઠ ચાર કિલો જેટલો ખોરાક એકઠો કર્યો. સમાજના સર્વ આગેવાનોએ આવીને મોશેને એની જાણ કરી. મોશેએ તેમને કહ્યું, “પ્રભુએ આજ્ઞા કરી છે કે આવતીકાલે વિશ્રામનો પવિત્ર દિવસ છે અને તે તો ઈશ્વરને અર્પિત સાબ્બાથ છે. તેથી આજે જે ખોરાક શેકવો હોય તે શેકી લો અને બાફવો હોય તે બાફી લો. જે કંઈ વધે તે આવતીકાલ માટે રાખી મૂકો.” પછી તેમણે મોશેની આજ્ઞા અનુસાર વધેલો ખોરાક બીજા દિવસ સુધી રાખી મૂક્યો; પરંતુ તે ગંધાઈ ઊઠયો નહિ તેમ જ તેમાં એક પણ કીડો પડયો નહિ. મોશેએ કહ્યું, “આ ખોરાક આજે ખાઓ. કારણ, આજે પ્રભુને અર્પિત કરેલો ‘સાબ્બાથદિન’ છે અને આજે છાવણીની બહાર તમને ખોરાક મળશે નહિ. છ દિવસ તમારે ખોરાક એકત્ર કરવો પરંતુ સાતમે દિવસે એટલે વિશ્રામને દિવસે તમને કંઈ ખોરાક મળશે નહિ.” સાતમે દિવસે કેટલાક લોકો ખોરાક એકઠો કરવા બહાર ગયા, પણ તેમને કંઈ ખોરાક મળ્યો નહિ. પછી પ્રભુએ મોશેને કહ્યું, “આ લોકો કયાં સુધી મારી આજ્ઞાને આધીન થવાનું નકારશે? યાદ રાખો, મેં પ્રભુએ તમને સાબ્બાથદિન આપ્યો છે અને તેથી છઠ્ઠે દિવસે હું તમને બે દિવસ ચાલે તેટલો ખોરાક આપીશ. સાતમે દિવસે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં જ રહે અને બહાર જાય નહિ” તેથી લોકોએ સાતમે દિવસે કંઈ કાર્ય કર્યું નહિ. ઇઝરાયલીઓએ તે ખોરાકનું નામ “માન્‍ના” (આ શું છે?) પાડયું. તે સફેદ નાના દાણા જેવું હતું અને તેનો સ્વાદ મધ ચોપડેલી પોળી જેવો હતો. મોશેએ કહ્યું, “પ્રભુએ આપણને આ આજ્ઞા આપી છે: ‘એક પાત્ર લઈને તેમાં બે કિલો જેટલું માન્‍ના ભરીને તેને તમારા વંશજો માટે સાચવી રાખો; જેથી હું તમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો ત્યારે મેં તમને જે ખોરાક ખવડાવ્યો તે તેઓ જોઈ શકે.” પછી મોશેએ આરોનને કહ્યું, “એક પાત્ર લઈને તેમાં બે કીલો માન્‍ના ભર અને તેને આપણા વંશજો માટે સાચવી રાખવા પ્રભુ આગળ મૂક.” પ્રભુએ મોશેને આજ્ઞા કર્યા મુજબ આરોને તેને સાચવી રાખવા માટે સાક્ષ્યલેખની કરારપેટી આગળ મૂકાયું. ઇઝરાયલીઓ વસવાટના દેશ કનાનમાં પહોંચ્યા ત્યાં સુધી એટલે ચાલીસ વરસ સુધી તેમણે માન્‍ના ખાધું. તે સમયમાં વપરાશનું નિયત માપ એફાહ આજના આશરે વીસ કીલો જેટલું હતું; અને ઓમેર તેના દસમા ભાગનું એટલે, આશરે બે કીલો જેટલું હતું. ઇઝરાયલનો આખો સમાજ સીનના રણપ્રદેશમાં નીકળીને પ્રભુની આજ્ઞાનુસાર એક સ્થળેથી બીજે સ્થળે મુસાફરી કરતાં કરતાં આગળ વધ્યો. પછી તેમણે રફીદીમમાં પડાવ નાખ્યો. પણ ત્યાં લોકોને પીવા માટે પાણી નહોતું. તેથી લોકોએ મોશે સાથે તકરાર કરીને કહ્યું, “અમને પીવાને પાણી આપ.” મોશેએ કહ્યું, “તમે શા માટે મારી સાથે તકરાર કરો છો? તમે શા માટે પ્રભુની ક્સોટી કરો છો?” પરંતુ લોકોને ખૂબ તરસ લાગી હતી. તેથી તેમણે તેમની કચકચ ચાલુ રાખી. તેમણે મોશેને કહ્યું, “તું શા માટે અમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો? તું શા માટે અમને, અમારાં સંતાનોને અને અમારાં ઢોરઢાંકને અહીં તરસે મારી નાખવા લાવ્યો છે?” મોશેએ પ્રભુને આગ્રહથી પ્રાર્થના કરીને કહ્યું, “આ લોકો માટે હું શું કરું? તેઓ મને પથ્થરે મારવાની અણી ઉપર છે.” પ્રભુએ મોશેને કહ્યું, “તું તારી સાથે ઇઝરાયલના કેટલાક આગેવાનોને લઈને લોકોની આગળ ચાલવા લાગ. નાઇલ નદી પર તેં જે લાકડી મારી હતી તે તારી સાથે લઈ લે. જો, હું ત્યાં હોરેબ પર્વતના એક ખડક ઉપર તારી સામે ઊભો રહીશ. તું ખડકને મારજે, એટલે તેમાંથી લોકોને પીવા માટે પાણી નીકળશે.” મોશેએ ઇઝરાયલના આગેવાનોના દેખતાં તે પ્રમાણે કર્યું. મોશેએ તે સ્થળનું નામ માસ્સા (ક્સોટી) અને મરીબા (તકરાર) પાડયું, કારણ, ઇઝરાયલીઓએ તકરાર કરી અને “શું પ્રભુ અમારી સાથે છે?” એમ કહીને તેમણે પ્રભુની ક્સોટી કરી. અમાલેકીઓએ રફીદીમમાં આવીને ઇઝરાયલીઓ પર હુમલો કર્યો. મોશેએ યહોશુઆને કહ્યું, “તું આપણામાંથી કેટલાક પુરુષો પસંદ કરીને આવતી કાલે અમાલેકીઓ સામે યુદ્ધ કરવા જા. હું કાલે ઈશ્વરની લાકડી લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ.” યહોશુઆ મોશેની આજ્ઞા પ્રમાણે અમાલેકીઓ સામે યુદ્ધ કરવા ગયો. મોશે, આરોન તથા હુર પર્વતના શિખર ઉપર ગયા. જ્યાં સુધી મોશે પોતાના હાથ ઊંચા રાખતો ત્યાં સુધી ઇઝરાયલીઓ વિજય પામતા, પરંતુ જ્યારે તે પોતાના હાથ નીચા કરતો ત્યારે અમાલેકીઓ જીતવા લાગતા. મોશેના હાથ થાકી ગયા ત્યારે આરોન તથા હુરે મોશેને બેસવા માટે એક પથ્થર લાવીને મૂકયો, અને તેઓ તેના હાથ પકડીને બન્‍ને બાજુએ ઊભા રહ્યા. આમ, સૂર્યાસ્ત સુધી તેના હાથ સ્થિર રાખ્યા. આ રીતે યહોશુઆએ અમાલેકીઓનો ભારે સંહાર કરીને તેમને હરાવ્યા. પછી પ્રભુએ મોશેને કહ્યું, “વિજયનો આ બનાવ યાદગીરી અર્થે પુસ્તકમાં લખી લે. વળી, યહોશુઆને કહે કે હું અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કરીશ.” મોશેએ એક વેદી બાંધી અને તેનું નામ ‘યાહવે-નિસ્સી’ (યાહવે મારો વિજયધ્વજ) પાડયું. તેણે કહ્યું, “પ્રભુનો વિજયધ્વજ ફરક્તો રહો! પ્રભુ હમેશા અમાલેકીઓ સાથે યુદ્ધ જારી રાખશે.” હવે ઈશ્વરે મોશે માટે તથા ઇઝરાયલી લોકો માટે જે જે કર્યું હતું તે બધું તથા તેમણે કેવી રીતે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા તે બધું મોશેના સસરા, એટલે મિદ્યાનના યજ્ઞકાર યિથ્રોએ સાંભળ્યું. તેથી યિથ્રો મોશેની પત્ની સિપ્પોરા તથા તેના બન્‍ને પુત્રોને લઈને આવ્યો. કારણ, મોશેએ તેમને મિદ્યાનમાં જ રાખ્યા હતા. *** મોશેએ કહ્યું હતું, “હું અજાણ્યા દેશમાં પરદેશી થયો છું.” તેથી તેણે એક પુત્રનું નામ ગેર્શોમ (પરદેશી) પાડયું હતું. તેણે એવું પણ કહ્યું, “મારા પિતાના ઈશ્વરે મને સહાય કરીને ફેરોની તલવારથી બચાવ્યો છે.” તેથી તેણે બીજા પુત્રનું નામ એલિએઝેર (ઈશ્વર મારા મદદગાર) પાડયું. યિથ્રો મોશેની પત્ની તથા તેના બન્‍ને પુત્રોને લઈને ઈશ્વરના પર્વત પાસે જ્યાં મોશેની છાવણી હતી ત્યાં રણપ્રદેશમાં મોશે પાસે આવ્યો. તેણે પોતાના આગમનની ખબર મોશેને મોકલી, એટલે મોશે તેમને મળવા બહાર આવ્યો. મોશેએ તેને પ્રણામ કર્યા અને ચુંબન કર્યું. તેમણે એકબીજાના ખબરઅંતર પૂછયા પછી તેઓ મોશેના તંબુમાં ગયા. ઇઝરાયલીઓને છોડાવવા પ્રભુએ ફેરો તથા ઇજિપ્તના લોકોના જે હાલહવાલ કર્યા હતા તે બધું મોશેએ યિથ્રોને કહ્યું. વળી, માર્ગમાં લોકોને જે કષ્ટ પડયું તથા પ્રભુએ તેમને કેવી રીતે બચાવ્યા તે પણ તેણે કહી સંભળાવ્યું. પ્રભુએ ઇઝરાયલીઓને ઇજિપ્તીઓના હાથમાંથી છોડાવીને જે ભલાઈ દર્શાવી હતી તેને લીધે યિથ્રોને આનંદ થયો. તેણે કહ્યું, “પ્રભુની સ્તુતિ થાઓ; કારણ, તેમણે પોતાના લોકોને ગુલામગીરીમાંથી છોડાવ્યા છે! હવે હું જાણું છું કે પ્રભુ સર્વ દેવો કરતાં મહાન છે. કારણ, ઇજિપ્તીઓ ઇઝરાયલીઓ પ્રત્યે તુમાખીભર્યો વર્તાવ કરતા હતા ત્યારે જ તેમણે તેમના પર વિજય મેળવ્યો છે.” પછી યિથ્રોએ ઈશ્વરને સંપૂર્ણ દહનબલિ તથા અન્ય અર્પણો ચડાવ્યાં અને આરોન તથા ઇઝરાયલના બીજા આગેવાનો યિથ્રોની સાથે ઈશ્વરની સમક્ષ પવિત્ર ભોજન લેવા આવ્યા. બીજે દિવસે મોશે લોકોનો ન્યાય કરવા બેઠો અને તેમાં સવારથી સાંજ સુધી રોક્યેલો રહ્યો. મોશે લોકો માટે જે કામ કરતો હતો તે યિથ્રોએ જોયું ત્યારે તેણે કહ્યું, “લોકોને માટે તું આ કામ કરે છે? તું એકલો જ આ બધું કામ કરે છે અને લોકો તારી સલાહ લેવા સવારથી સાંજ સુધી તારી પાસે આવ્યા કરે છે?” મોશેએ કહ્યું, “મારે આ બધું કરવું પડે છે. કારણ, લોકો ઈશ્વરની ઇચ્છા જાણવા માટે મારી પાસે આવે છે. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે કોઈ વાદવિવાદ હોય ત્યારે તેઓ મારી પાસે આવે છે. હું તેમના ઝઘડાનો નિકાલ લાવું છું અને તેમને ઈશ્વરની આજ્ઞાઓ તથા ફરમાન જણાવું છું.” ત્યારે યિથ્રોએ કહ્યું, “તું આ કંઈ બરાબર કરતો નથી. કારણ, આ રીતે તો તું તથા આ લોકો જલદી થાકી જશો. તારા એકલાથી આ કામનો બોજ ઉપાડી શકાય નહિ અને તું એકલો આટલું બધું કામ કરી શકે નહિ. હવે મારી સલાહ માન અને ઈશ્વર તારી સહાય કરશે. તું લોકોના પ્રતિનિધિ તરીકે ઈશ્વર પાસે જાય તે બરાબર છે. તું જરૂર તેમની ફરિયાદો ઈશ્વર સમક્ષ લઈ જા. વળી, તું તેમને ઈશ્વરની આજ્ઞાઓ શીખવ અને તેમણે કેવી રીતે જીવવું તથા શું કરવું તે પણ તેમને સમજાવ. પણ સાથે સાથે તું કેટલાક હોશિયાર માણસો પસંદ કરીને તેમની લોકોના આગેવાનો તરીકે નિમણૂક કર. તેમને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોના જૂથ પર નિયુક્ત કર. આ આગેવાનો ઈશ્વરનો ડર રાખનાર, વિશ્વાસુ અને લાંચને ધિક્કારનારા હોવા જોઈએ. તેઓ સર્વ પ્રસંગે લોકોનો ન્યાય કરે. પ્રત્યેક અઘરો પ્રશ્ર્ન તેઓ તારી પાસે લાવે; પરંતુ નાના નાના પ્રશ્ર્નોનો તો તેઓ પોતે જ ન્યાય કરે. આમ, તારું કામ સરળ બનશે. જો તું ઈશ્વરની આજ્ઞા પાળી એ પ્રમાણે કરીશ તો તું નભી શકીશ અને લોકો પણ પોતાના મનમાં સંતોષ પામીને પોતપોતાને ઘેર જશે.” મોશેએ યિથ્રોની સલાહનો અમલ કર્યો. અને ઇઝરાયલીઓમાંથી હોશિયાર આગેવાનો પસંદ કર્યા. તેમણે તેમને હજાર હજારના, સો સોના, પચાસ પચાસના અને દસદસના જૂથ પર આગેવાનો નીમ્યા. તેઓ સર્વ પ્રસંગે લોકોના પ્રશ્ર્નોનો ન્યાય ચૂકવવાનું કામ કરતા. તેઓ જટિલ પ્રશ્ર્નો મોશે પાસે લાવતા, પણ નાના નાના પ્રશ્ર્નોનું જાતે નિરાકરણ કરતા. પછી મોશેએ યિથ્રોને વિદાય આપી. યિથ્રો પોતાના દેશમાં પાછો ગયો. ઇઝરાયલીઓ રફીદીમ- માંથી નીકળ્યા, અને ઇજિપ્તમાંથી નીકળ્યાને ત્રીજા માસને પ્રથમ દિવસે તેઓ સિનાઈના રણપ્રદેશમાં આવ્યા. તેમણે સિનાઈ પર્વતની તળેટીમાં પડાવ નાખ્યો. *** મોશે ઈશ્વરને મળવા સિનાઈ પર્વત પર ગયો. પ્રભુએ પર્વત પરથી મોશે સાથે બોલતાં કહ્યું, “યાકોબના વંશજો, એટલે ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: ‘મેં પ્રભુએ ઇજિપ્તીઓની જે દશા કરી તે તમે તમારી નજરે જોઈ છે. વળી, જેમ ગરુડ પોતાનાં બચ્ચાંને પાંખો પર ઉપાડી લે છે તેમ હું તમને ઉપાડીને મારી પાસે લાવ્યો છું. હવે જો તમે મને આધીન થશો અને મારો કરાર પાળશો તો તમે મારા અતિ મૂલ્યવાન લોક બની રહેશો. કારણ, સમસ્ત પૃથ્વી મારી છે. વળી, તમે મારા રાજપદ નીચે સેવા કરનાર યજ્ઞકારો તરીકે મારું રાજ્ય તથા મને સમર્પિત થયેલા લોક બની રહેશો.” તેથી મોશેએ નીચે જઈને લોકોના સર્વ આગેવાનોને એકત્ર કર્યા અને પ્રભુએ તેને આપેલી સર્વ આજ્ઞા કહી સંભળાવી. ત્યારે લોકોએ એકીસાથે કહ્યું, “પ્રભુએ આપેલી સર્વ આજ્ઞાઓ અમે પાળીશું આજ્ઞાઓ.” મોશેએ જઈને લોકોની એ વાત પ્રભુને જણાવી. પ્રભુએ મોશેને કહ્યું, “હું તારી પાસે ગાઢ વાદળમાં આવીશ; જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો તે સાંભળે અને તારા કહેવા પર હમેશાં વિશ્વાસ કરે.” મોશેએ પ્રભુને લોકોનો પ્રત્યુત્તર જણાવ્યો એટલે પ્રભુએ કહ્યું, “લોકો પાસે જઈને તેમને કહે કે તેઓ આજે અને કાલે પોતાને ભક્તિ માટે શુદ્ધ કરે. વળી, તેઓ પોતાનાં વસ્ત્ર ધૂએ અને ત્રીજા દિવસ માટે તૈયાર થાય. કારણ, તે દિવસે લોકો મને જુએ એ રીતે હું પર્વત પર ઊતરીશ. તું લોકોને માટે પર્વતની ચારે બાજુએ હદ ઠરાવજે અને તેમને કહેજે કે કોઈ પર્વત પર ચડે નહિ કે તેની નજીક પણ ન આવે. જો કોઈ પર્વતને અડકે તો તે નિશ્ર્વે માર્યો જાય. તમારે તેવા માણસનો સ્પર્શ ન કરવો. પણ તેને પથ્થરે મારવો અથવા તીરથી વીંધી નાખવો. માણસો અને પશુઓ સૌને આ લાગુ પડશે. એવાંને તમારે મારી નાખવાં. છતાં લોકો જ્યારે રણશિંગડું વાગે ત્યારે પર્વત પાસે આવે.” પછી મોશેએ પર્વત પરથી નીચે આવીને લોકોને ભક્તિ માટે શુદ્ધ થવા કહ્યું. તેણે તેમને શુદ્ધ કર્યા અને તેમણે પોતાનાં વસ્ત્ર ધોયાં. મોશેએ તેમને કહ્યું, “ત્રીજા દિવસને માટે તૈયાર થાઓ. દરમ્યાનમાં, સ્ત્રીસમાગમથી દૂર રહેજો.” ત્રીજે દિવસે સવારે મેઘગર્જના અને વીજળીના ચમકારા થવા લાગ્યા, પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું અને રણશિંગડાનો મોટો અવાજ સંભળાયો. છાવણીમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા. પછી ઈશ્વરને મળવા માટે મોશે બધા લોકોને છાવણીમાંથી બહાર લાવ્યો. તેઓ સૌ પર્વતની તળેટીમાં ઊભા રહ્યા. આખો સિનાઈ પર્વત ધુમાડાથી છવાઈ ગયો. કારણ, પ્રભુ પર્વત પર અગ્નિ દ્વારા ઊતર્યા હતા. તે ધૂમાડો ભઠ્ઠીના ધૂમાડાની જેમ ઉપર ચડતો હતો. આખો પર્વત કંપી ઊઠયો. રણશિંગડાનો અવાજ વધારે ને વધારે મોટો થતો ગયો. ત્યારે મોશે બોલ્યો અને પ્રભુએ તેને ગર્જના દ્વારા ઉત્તર આપ્યો. પ્રભુ સિનાઈ પર્વતના શિખર ઉપર ઊતર્યા અને મોશેને પર્વતના શિખર પર બોલાવ્યો. તેથી મોશે પર્વત પર ચડી ગયો. પ્રભુએ મોશેને કહ્યું, “નીચે જઈને લોકોને ચેતવણી આપ કે તેઓ સીમા ઓળંગીને મને જોવા માટે નજીક ન આવે; જો તેમ કરશે તો ઘણા મૃત્યુ પામશે. વળી, જે યજ્ઞકારો મારી પાસે આવે તેઓ પણ પોતે શુદ્ધ થઈને આવે, નહિ તો હું તેમના પર પ્રહાર કરીશ.” મોશેએ પ્રભુને કહ્યું, “લોકો પર્વત પાસે આવી શકે તેમ નથી. કારણ, તમે અમને પર્વતની ચારે બાજુએ સીમા ઠરાવી તેને પવિત્ર રાખવા આજ્ઞા આપી છે.” પ્રભુએ કહ્યું, “નીચે જઈને તારી સાથે આરોનને લઈ આવ. પરંતુ યજ્ઞકારો અને લોકો સીમા ઓળંગીને મારી પાસે ન આવે, નહિ તો હું તેમના પર પ્રહાર કરીશ.” પછી મોશેએ નીચે જઈને એ વાત લોકોને કહી સંભળાવી. પછી ઈશ્વર આ સર્વ આજ્ઞાઓ બોલ્યા: “તમને ગુલામીના દેશ ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું. “મારા સિવાય અન્ય કોઈ દેવની ભક્તિ ન કરો. “તમે તમારે માટે કોઈ મૂર્તિ ન બનાવો. આકાશમાંની, પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પ્રાણીમાંની કોઈ વસ્તુની પ્રતિમા ન બનાવો. તમે મૂર્તિઓને નમન કરશો નહિ અથવા તેમની ઉપાસના કરશો નહિ; કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતાપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનાર સૌને સજા કરું છું; પરંતુ જેઓ મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે તેમના સંબંધમાં હજારો પેઢીઓ સુધી હું પ્રેમ દર્શાવું છું. “તમારે મારા નામ યાહવેનો દુરુપયોગ કરવો નહિ; કારણ, મારા નામનો દુરુપયોગ કરનારને હું તમારો ઈશ્વર પ્રભુ સજા કર્યા વિના રહેતો નથી. “સાબ્બાથદિન યાદ રાખીને તેની પવિત્રતા જાળવો. છ દિવસ તમે શ્રમપૂર્વક તમારાં બધાં કામ કરો, પરંતુ સાતમો દિવસ તો મારે માટે અલગ કરેલો સાબ્બાથદિન છે. તમે, તમારાં સંતાનો, તમારાં દાસદાસી, તમારાં ઢોરઢાંક અથવા તમારા દેશમાં રહેનાર પરદેશીઓ કંઈ કાર્ય ન કરે. મેં પ્રભુએ છ દિવસમાં પૃથ્વી, આકાશ, સમુદ્ર તથા તેમાંનું સર્વસ્વ બનાવ્યું; પરંતુ સાતમે દિવસે મેં આરામ કર્યો. મેં પ્રભુએ સાબ્બાથદિનને આશિષ આપીને પવિત્ર ઠરાવ્યો. “તમારાં માતપિતાનું સન્માન કરો; જેથી જે દેશ હું તમને આપું તેમાં તમને લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય. “તમે ખૂન ન કરો. “તમે વ્યભિચાર ન કરો. “તમે ચોરી ન કરો. “તમે કોઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન આપો. “તમે બીજા માણસના ઘરનો લોભ ન રાખો. તમે તેની પત્નીનો, તેનાં દાસદાસીઓનો, તેનાં ઢોરઢાંકનો, તેનાં ગધેડાંનો અથવા તેની માલિકીની કોઈપણ વસ્તુનો લોભ ન રાખો.” “જ્યારે લોકોએ ગર્જના તથા રણશિંગડાનો અવાજ સાંભળ્યો અને પર્વત પર વીજળી અને ધૂમાડો જોયાં ત્યારે તેઓ બીકથી ધ્રૂજી ઊઠયા અને પર્વતથી દૂર ઊભા રહ્યા. તેમણે મોશેને કહ્યું, “જો તું અમારી સાથે વાત કરશે તો અમે તારું સાંભળીશું, પરંતુ ઈશ્વર પોતે અમારી સાથે સીધા વાત ન કરે, નહિ તો અમે ચોક્કસ માર્યા જઈશું.” મોશેએ કહ્યું, “ગભરાશો નહિ; કારણ, ઈશ્વર માત્ર તમારી ક્સોટી કરવા જ આવ્યા છે; જેથી તમે તેમનો ડર રાખો અને પાપ ન કરો.” પરંતુ લોકો પર્વતથી ઘણે દૂર ઊભા રહ્યા અને ફક્ત મોશે જ જેમાં ઈશ્વર હતા તે ગાઢ વાદળ પાસે ગયો. પ્રભુએ ઇઝરાયલીઓને આ પ્રમાણે કહેવા મોશેને આજ્ઞા કરી: “મેં પ્રભુએ તમારી સાથે આકાશમાંથી વાત કરી છે તે તમે પોતે જોયું છે. મારી ભક્તિ કરવાની સાથે સાથે તમે ભક્તિ કરવા પોતાને માટે સોનારૂપાના દેવો ઘડશો નહિ. મારે માટે માટીની વેદી બનાવજો અને તે પર દહનબલિ તથા સંગતબલિ તરીકે ઘેટાંબકરાં અને ઢોરઢાંકનાં અર્પણો ચડાવજો. હું જે જે સ્થાન ભક્તિ માટે અલગ કરીશ ત્યાં ત્યાં હું તમારી પાસે આવીને તમને આશિષ આપીશ. જો તમે મારે માટે પથ્થરની વેદી બનાવો તો ઘડેલા પથ્થરની ન બનાવશો. કારણ, પથ્થર પર છીણી વાપરવાથી તમે તે પથ્થરને મારે માટે નિરુપયોગી બનાવો છો. વળી, તમે વેદી ઉપર સીડી દ્વારા ચડશો નહિ; કારણ, એમ કરવા જતાં કદાચ તમારી નગ્નતા દેખાય.” “તું ઇઝરાયલી લોકોને આ નિયમો જણાવ: જો તમે કોઈ હિબ્રૂ માણસને દાસ તરીકે ખરીદો તો તે છ વરસ સુધી તારી સેવા કરે, અને સાતમે વરસે તારે તેને વિનામૂલ્યે મુક્ત કરવો. તે દાસ તરીકે અપરણીત આવ્યો હોય, તો પોતાની પત્ની સહિત છૂટો ન થાય. પણ જો તે લગ્ન કરીને આવ્યો હોય તો તેની સાથે તેની પત્ની પણ મુક્ત થઈને જાય. જો તેના માલિકે તેને પત્ની કરાવી આપી હોય અને એ પત્નીથી તેને પુત્રો કે પુત્રીઓ થયાં હોય તો તે સ્ત્રી તથા તેના બાળકો માલિકનાં છે, તેથી તે દાસ એકલો જ છૂટો થાય. પરંતુ જો તે દાસ સ્પષ્ટ કહે કે તે પોતાના માલિક પર, પોતાની પત્ની પર તથા પોતાનાં સંતાનો પર પ્રેમ કરે છે અને મુક્ત થવા માગતો નથી, તો પછી તેને ઈશ્વરની આગળ લઈ જવો. ત્યાં ભક્તિસ્થાનમાં તેને દ્વાર આગળ બારસાખ સરસો ઊભો રાખી તેનો કાન વીંધવો. તે પછી તે હંમેશના માટે તેના માલિકનો દાસ બનશે. “જો કોઈ માણસે પોતાની પુત્રીને દાસી તરીકે વેચી હોય તો તેને દાસની જેમ મુક્ત કરવામાં ન આવે. માલિકે તેને પોતાની પત્ની થવા માટે રાખી હોય અને પછી તે તેને પસંદ ન પડે તો તે સ્ત્રીના પિતા પાસેથી મૂલ્ય લઈને તેને મુક્ત કરવી. માલિક તેને કોઈ પારકાને વેચી શકે નહિ, કારણ, તેણે તેની સાથે બેવફાઈ કરી છે. જો કોઈ માણસ પોતાના પુત્ર માટે કોઈ દાસી ખરીદે તો તેણે તેની સાથે પુત્રી જેવો વ્યવહાર રાખવો. જો કોઈ પુરુષ બીજી પત્ની કરે, તો તે તેની પ્રથમ પત્નીને મળવાપાત્ર ખોરાક, વસ્ત્ર તથા પત્ની તરીકેના તેના બીજા હકમાં ઘટાડો કરી શકે નહિ. જો તે તેના પ્રત્યે આ ફરજો બજાવી ન શકે તો તેણે તેને વિનામૂલ્ય મુક્ત કરવી. “જે કોઈ માણસને મારી નાખે તેને નિશ્ર્વે મારી નાખવો. પરંતુ મારી નાખવાનો ઈરાદો ન હોય પણ આકસ્મિક રીતે કોઈ બીજાને મારી નાખે તો ખૂન કરનાર વ્યક્તિ માટે હું જે સ્થાન પસંદ કરું ત્યાં તે નાસી જાય. ત્યાં તે સલામત રહેશે. પરંતુ કોઈ માણસ ગુસ્સે ભરાઈને કોઈને મારી નાખે તો તેને નિશ્ર્વે મારી નાખવો; પછી તે રક્ષણને માટે મારી યજ્ઞવેદી પાસે દોડી આવે તો તેને ત્યાંથી કાઢીને પણ મારી નાખવો. “જે કોઈ પોતાના પિતાને અથવા માતાને મારે તેને ચોક્કસ મારી નાખવો. “જો કોઈ માણસ બીજાને વેચી નાખવા અથવા પોતાના દાસ તરીકે રાખવા ચોરીછૂપીથી ઉપાડી જાય તો તેવા મનુષ્યહરણ કરનારને મારી નાખવો. “જે કોઈ પોતાના પિતાને અથવા માતાને શાપ દે તેને જરૂર મારી નાખવો. “ઝઘડો થયો હોય ત્યારે એક માણસ બીજાને પથ્થર અથવા પોતાના મુક્કાથી મારે પરંતુ તે માણસ મરી ન જાય તો મારનાર માણસ સજાપાત્ર ન ઠરે. પણ માણસ ઘાયલ થવાથી તેને પથારીવશ રહેવું પડે, અને પાછળથી તે લાકડીના ટેકે હરીફરી શકે તો મારનાર વ્યક્તિ સમયની નુક્સાની ભરી આપે અને સારવારનો ખર્ચ ભોગવે. *** “જો કોઈ માણસ પોતાના દાસ અથવા દાસીને લાકડીથી મારે અને તેથી તે સ્થળ પર જ મૃત્યુ પામે તો મારનારને સજા કરવી. પણ જો તે એક કે બે દિવસ પછી મૃત્યુ પામે તો તેનો માલિક સજાપાત્ર ન ઠરે. કારણ, તે પોતાની મિલક્ત ગુમાવે એટલી સજા તેના માટે પૂરતી છે. “માણસો લડતા હોય ત્યારે કોઈ ગર્ભવતી સ્ત્રીને ઇજા થવાથી ગર્ભપાત થઈ જાય, પરંતુ તે સ્ત્રીને બીજી કોઈ ઇજા ન થાય તો તે સ્ત્રીનો પતિ ઠરાવે અને ન્યાયાધીશો તેને મંજૂરી આપે તેટલી નુક્સાની ઇજા પહોંચાડનાર વ્યક્તિ ભરી આપે. પરંતુ તે સ્ત્રીને જો કંઈ ઈજા થાય તો આ પ્રમાણે સજા કરવી: જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ, ડામને બદલે ડામ, ઘાને બદલે ઘા અને સોળને બદલે સોળ- એ રીતે બદલો વાળવો. “જો કોઈ માણસ પોતાના દાસ અથવા દાસીને આંખ પર મારીને તેની આંખ ફોડી નાખે તો આંખના મૂલ્ય તરીકે તેને મુક્ત કરે. જો તે તેનો દાંત તોડી નાખે તો દાંતના મૂલ્ય તરીકે તેને તે મુક્ત કરે. “જો કોઈ બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને શિંગડું મારીને મારી નાખે તો તે બળદને પથ્થરો મારીને મારી નાખવો અને તેનું માંસ ખાવું નહિ; પણ તેનો માલિક સજાપાત્ર ન ઠરે. પરંતુ બળદને લોકોને શિંગડું મારવાની આદત હોય અને તેના માલિકને ચેતવણી આપવામાં આવી હોય પણ તેણે તેને બાંધવાની કાળજી રાખી ન હોય તો તે બળદને પથ્થરે મારવો અને તેના માલિકને પણ મારી નાખવો. છતાં માલિકને પોતાનો જીવ બચાવવા દંડ ભરવા દેવામાં આવે તો તેણે નિયત દંડ પૂરેપૂરો ભરી આપવો. બળદ કોઈ છોકરાને કે છોકરીને મારી નાખે તો પણ આ જ કાયદો લાગુ પડે છે. જો બળદ કોઈ દાસ અથવા દાસીને મારી નાખે તો બળદનો માલિક દાસના માલિકને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવે અને તે બળદ પથ્થરે માર્યો જાય. “જો કોઈ માણસ ખાડા પરનું ઢાંકણ ખસેડી નાખે અથવા ખાડો ખોદીને તેને ઢાંકે નહિ અને તેમાં બળદ કે ઘેટું પડીને મરી જાય, તો માણસે તે પ્રાણીની કિંમત ચૂકવવી. તેણે તે રકમ પ્રાણીના માલિકને ચૂકવવી અને મરેલું પ્રાણી તેનું થાય. જો કોઈનો બળદ બીજાના બળદને મારી નાખે તો તે બે માણસો જીવતા બળદને વેચીને તેના પૈસા વહેંચી લે. વળી, તેઓ મરી ગયેલા બળદનું માંસ પણ વહેંચી લે. પરંતુ બળદને હુમલો કરવાની આદત હતી તેવું જાણમાં હોય અને તેનો માલિક તેને બાંધી રાખતો ન હોય તો તે બીજા માણસને જીવતો બળદ આપીને તેની નુક્સાની ભરી આપે, પણ મરી ગયેલું પ્રાણી તેનું થાય. “જો કોઈ માણસ બળદ અથવા ઘેટું ચોરી લે અને પછી તેને મારી નાખે કે વેચી દે તો તેણે એક બળદના બદલામાં પાંચ બળદ અને એક ઘેટાના બદલામાં ચાર ઘેટાં પાછા આપવાં. પોતે કરેલી ચોરીને બદલે તેણે દંડ ચૂકવવો. એ ચૂકવવા તેની પાસે કંઈ ન હોય તો ચોરીનો દંડ ભરવા માટે તેણે પોતાને દાસ તરીકે વેચવો. જો ચોરી કરેલ બળદ અથવા ઘેટું જીવતાં મળે તો એકના બદલામાં બે પ્રાણી પાછાં આપવાં. “જો કોઈ ચોર ઘરમાં રાત્રે ખાતર પાડતાં પકડાઈ જાય અને માર મારતાં મરી જાય તો તેને મારી નાખનાર તેના ખૂન માટે જવાબદાર નથી. પરંતુ સૂર્યોદય પછી દિવસ દરમ્યાન એવું બને તો મારનાર વ્યક્તિ ખૂન માટે જવાબદાર છે. *** *** “જો કોઈ પોતાનું ઢોર બીજા કોઈના ખેતરમાં અથવા દ્રાક્ષવાડીમાં છૂટું મૂકે અને તે ઢોર તેની ઊપજ ખાઈ જાય તો ઢોરનો માલિક પોતાના ખેતર અથવા દ્રાક્ષવાડીની સૌથી ઉત્તમ પેદાશમાંથી નુક્સાની ભરી આપે. “જો કોઈ પોતાના ખેતરમાં આગ સળગાવે અને તે આગ બીજાના ખેતરમાં ફેલાય અને તેનો ઊભો પાક, કાપેલો પાક અથવા સંગ્રહ કરેલા પૂળા બળી જાય તો આગ સળગાવનાર તે નુક્સાની ભરી આપે. “જો કોઈ માણસ બીજાના પૈસા કે કિંમતી વસ્તુઓ સાચવવા માટે રાખે અને તેના ઘરમાંથી તે ચોરાઈ જાય, અને જો ચોર પકડાય તો ચોર તે માણસને બમણું પાછું આપે. પરંતુ ચોર ન પકડાય તો થાપણ સાચવનાર માણસને પવિત્રસ્થાનમાં ઈશ્વરની સમક્ષ લાવવામાં આવે અને તે ત્યાં શપથ લે કે તેણે પોતે પેલા માણસની થાપણ ચોરી નથી. “મિલક્ત અંગેના વિવાદમાં, પછી તે ઢોરઢાંક, ગધેડાં, ઘેટાં, વસ્ત્રો અથવા ખોવાયેલી બીજી કોઈપણ વસ્તુ સંબંધીનો હોય અને બે વ્યક્તિઓ તે મિલક્ત સંબંધી દાવો કરતી હોય તો તેમને પવિત્રસ્થાનમાં ઈશ્વર સમક્ષ લાવવામાં આવે. ઈશ્વર જેને દોષિત જાહેર કરે તે વ્યક્તિ બીજી વ્યક્તિને બમણું પાછું આપે. “જો કોઈ માણસ બીજાનું ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ ઢોર સાચવવા રાખે અને તે ઢોર મરી જાય અથવા તેને ઇજા થાય અથવા તેને કોઈ ઉપાડી જાય અને કોઈ સાક્ષી ન હોય; તો તે માણસ પવિત્રસ્થાનમાં ઈશ્વર સમક્ષ જાય અને શપથ લે કે તેણે પેલા માણસનું ઢોર ચોર્યું નથી. જો ઢોર ચોરાયું ન હોય તો માલિક તેનું નુક્સાન સ્વીકારી લે અને પેલા માણસે તેને ભરપાઈ કરવાની જરૂર નથી. પણ ઢોર ચોરાયું હોય તો સાચવનારે ઢોરના માલિકને નુક્સાન ભરી આપવું. જો તે ઢોરને હિંસક પ્રાણીઓએ ફાડી ખાધું હોય તો તે માણસ ઢોરના બચેલાં અંગો રજુ કરે; એવા ઢોર માટે તેણે માલિકને નુક્સાન ભરી આપવાની જરૂર નથી. “જો કોઈ માણસ બીજા પાસેથી ઢોર ઉછીનું લે અને ઢોરને તેના માલિકની ગેરહાજરીમાં ઇજા થાય અથવા તે મરી જાય તો તેને ઉછીનું લેનાર માણસ તેની નુક્સાની ભરી આપે. પરંતુ ઢોરના માલિકની હાજરીમાં એવું બને તો પેલા માણસે નુક્સાન ભરપાઈ કરવાની જરૂર નથી. પરંતુ તે ઢોર ભાડે લેવાયું હોય તો નુક્સાની વળી ગયેલી સમજવી. “જો કોઈ પુરુષ સગાઈ કર્યા વગરની કુમારિકાને ફસાવીને તેની સાથે સમાગમ કરે તો તેણે દહેજની રકમ આપીને તેની સાથે લગ્ન કરવાં. પરંતુ કન્યાને તેનો પિતા એ પુરુષ સાથે લગ્નની મના કરે તો તે પુરુષે કન્યાના પિતાને એ રકમ ચૂકવવી. “જો કોઈ સ્ત્રી જાદુક્રિયા કરતી હોય તો તેને મારી નાખવી. “જો કોઈ વ્યક્તિ પશુ સાથે સમાગમ કરે તો તેને મારી નાખવી. “પ્રભુ, એટલે મારા સિવાય બીજા કોઈ દેવને અર્પણ ચડાવનારને તમારે મારી નાખવો. તમારી સાથે વસતા પરદેશીને તમે પરેશાન ન કરો અથવા તેના પર જુલમ ન ગુજારો. યાદ રાખો કે તમે પણ ઇજિપ્તમાં પરદેશી હતા. વિધવા અથવા અનાથને દુ:ખ ન દો. જો તમે તેમને દુ:ખ દેશો અને તેઓ મને મદદને માટે પોકારશે ત્યારે હું પ્રભુ તેમને પ્રત્યુત્તર આપીશ. હું તમારા પર ક્રોધાયમાન થઈશ અને તમારો તલવારથી તમારી સંહાર કરી નાખીશ. પત્ની વિધવા બનશે અને તમારાં સંતાનો નબાપાં બનશે. “જો તમે મારા લોકમાંથી કોઈ ગરીબને નાણાં ધીરો તો તમે તેની સાથે ધીરધાર કરનારના જેવું વર્તન ન દાખવશો. અને તેની પાસેથી વ્યાજ ન લેશો. જો તમે કોઈનું વસ્ત્ર ગીરવે રાખો તો સૂર્યાસ્ત પહેલાં તે તેને પાછું આપો. કારણ, તેની પાસે એક જ વસ્ત્ર છે. એ જ વસ્ત્ર તે પહેરે છે અને એ જ તે ઓઢે છે. તેની પાસે ઓઢીને સૂવાનું બીજું વસ્ત્ર જ કયાં છે? તેથી જ્યારે તે મને મદદને માટે પોકાર કરે ત્યારે હું તેનું સાંભળીશ. કારણ, હું કૃપાળુ છું. “ઈશ્વરની નિંદા ન કરો અને લોકોના આગેવાનોને શાપ ન દો. “જ્યારે તમારું અનાજ પાકે અને દ્રાક્ષ તથા ઓલિવ ફળ પિલાય ત્યારે તેમાંથી તમે મને અર્પણ ચડાવો. “તમારા પ્રથમજનિત પુત્રોનું મને સમર્પણ કરો. તમારાં ઢોર અને તમારાં ઘેટાંના પ્રથમજનિત બચ્ચાંનું મને અર્પણ કરો. પ્રથમજનિત નર સાત દિવસ સુધી પોતાની મા સાથે રહે, પરંતુ આઠમે દિવસે તમે મને તેમનું અર્પણ કરો. “તમે મારા લોક છો; તેથી તમારે હિંસક પશુઓએ ફાડી ખાધેલા ઢોરનું માંસ ખાવું નહિ; એને કૂતરાંને નાખી દો. “તમારે અફવા ફેલાવવી નહિ. ખોટી જુબાની આપીને તમારે દુષ્ટ માણસને સાથ આપવો નહિ. બહુમતી ખોટું કરવાની તરફેણમાં હોય અને ન્યાયને મરડી નાખવા જૂઠી સાક્ષી આપે ત્યારે તમારે તેનાથી દોરવાઈ જઈને ખોટું કરવું નહિ. અદાલતમાં ગરીબ માણસના કેસમાં તમારે પક્ષપાત કરવો નહિ. “જો તમે તમારા દુશ્મનના બળદને અથવા ગધેડાને છૂટા રખડતા જુઓ તો તમે તેમને તેની પાસે પાછા લઈ જાઓ. જો તેનું ગધેડું ભારથી નીચે પડી ગયું હોય તો તેને ઊભું કરવામાં સહાય કરો; ત્યાંથી તેની અવગણના કરીને ચાલ્યા જશો નહિ. “ગરીબ માણસ અદાલતમાં હાજર થાય ત્યારે તેને અન્યાય થવા દેશો નહિ. તમે જૂઠાં તહોમત મૂકીને નિર્દોષ વ્યક્તિને મારી નંખાવશો નહિ. કારણ, એવું દુષ્ટ કાર્ય કરનારને હું સજા કરીશ. તમે લાંચ ન લો; કારણ, લાંચ લોકોને સત્ય પ્રત્યે આંધળા બનાવે છે અને નિર્દોષના દાવાને નિરર્થક બનાવે છે. “તમારી સાથે વસતા પરદેશીને પરેશાન કરશો નહિ. પરદેશી હોવું કેવું લાગે છે તે તમે જાણો છો, કારણ, તમે ઇજિપ્તમાં પરદેશી હતા. “છ વર્ષ સુધી તમારા ખેતરમાં વાવેતર કરો અને તેની સર્વ ઊપજ ભેગી કરો. પરંતુ સાતમે વર્ષે તેને આરામ આપો અને તેમાં જે કંઈ ઊગી નીકળે તેની કાપણી કરશો નહિ. જે કંઈ ઊગ્યું હોય તે ગરીબોને ખાવા દો અને જે કંઈ વધે તે વનવગડાનાં પશુઓને ખાવા દો. તમારી દ્રાક્ષવાડીઓ અને ઓલિવવાડીઓના સંબંધમાં પણ એવું જ કરો. “તમે સપ્તાહના છ દિવસ કામ કરો, પરંતુ સાતમે દિવસે કંઈ કામ કરશો નહિ; એ માટે કે તમારે માટે કામ કરતાં દાસદાસીઓ તથા પરદેશીઓને તથા તમારાં ઢોરઢાંકને આરામ મળે. “હું પ્રભુ તમને જે કહું છું તે સર્વ પર લક્ષ આપો. તમે બીજા દેવોની પ્રાર્થના કરશો નહિ; તેમજ તમારે મોંઢે તેમનાં નામ પણ ઉચ્ચારશો નહિ. “તમે મારા માનાર્થે વર્ષમાં ત્રણ પર્વ ઊજવો. આબીબ માસ, એટલે જે માસમાં તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા તેમાં, મેં તમને આપેલી આજ્ઞા પ્રમાણે ખમીરરહિત રોટલીનું પર્વ ઊજવો. પર્વના સાત દિવસ સુધી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી. વળી, તમે મારી ભક્તિ કરવા આવો, તો અર્પણો લીધા વિના આવશો નહિ. “તમારા ખેતરમાં વાવેલું પાકે ત્યારે પાકના પ્રથમ ઉતારથી તમે કાપણીનું પર્વ ઊજવો. “પાનખર ઋતુમાં તમે તમારી વાડીઓમાંથી ફળ એકઠાં કરો ત્યારે સંગ્રહપર્વ પાળો. “દર વરસે આ ત્રણે પર્વો વખતે તમારા સર્વ પુરુષોએ તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી ભક્તિ કરવા આવવું. “જ્યારે તમે મને પ્રાણીનું બલિદાન ચડાવો ત્યારે તેની સાથે ખમીરવાળી રોટલીનું અર્પણ કરશો નહિ. આ પર્વો દરમ્યાન મને ચડાવવામાં આવતાં પ્રાણીઓની ચરબી બીજા દિવસની સવાર સુધી રાખી મૂકશો નહિ. “દર વરસે તમારી કાપણીનું પ્રથમ ફળ તમારા ઈશ્વર પ્રભુના ઘરમાં લાવો. “ઘેટાંનું અથવા બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફશો નહિ. “તમને મુસાફરીમાં સંભાળવા અને મેં તૈયાર કરેલી જગ્યામાં તમને લઈ જવા હું તમારી આગળ મારા દૂતને મોકલું છું. તેની વાત પર ધ્યાન આપજો અને તેની આજ્ઞા માનજો. તેની વિરુદ્ધ બળવો કરશો નહિ. કારણ, મેં તેને મોકલ્યો છે અને તે આવા કોઈ બળવાની ક્ષમા આપશે નહિ. પરંતુ તમે જો તેની આજ્ઞા માનશો અને મારી આજ્ઞા પ્રમાણે બધું કરશો તો હું તમારા સર્વ દુશ્મનોની સાથે લડીશ. મારો દૂત તમારી આગળ જશે અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જશે અને હું તેમનો નાશ કરીશ. તમે તેમના દેવોની આગળ નમશો નહિ કે તેમની પૂજા કરશો નહિ. વળી, તમે તેમના ધાર્મિક રીતરિવાજ અપનાવશો નહિ. તમે તેમના દેવોનો નાશ કરજો અને તેમના ધાર્મિક સ્તંભોના ચૂરેચૂરા કરી નાખજો. જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી ભક્તિ કરશો તો હું તમારાં અન્‍નજળ પર આશિષની વૃષ્ટિ કરીશ. વળી, હું તમારી સર્વ બીમારીઓ દૂર કરીશ. તમારા દેશમાં કોઈ સ્ત્રીને કસુવાવડ થશે નહિ કે કોઈ વંધ્યા રહેશે નહિ. હું તમને દીર્ઘાયુષ્ય આપીશ. “જે પ્રજા તમારો વિરોધ કરશે તેમને હું ભયભીત કરીશ. હું તમારા સર્વ દુશ્મનોને તમારી આગળથી નસાડી મૂકીશ. તમે જેમ જેમ આગળ વધો તેમ તેમ હું હિવ્વીઓને, કનાનીઓને અને હિત્તીઓને ભમરીઓ મોકલીને હાંકી કાઢીશ. હું તેમને એક જ વર્ષમાં હાંકી કાઢીશ નહિ; જો હું એવું કરું તો તો દેશ ઉજ્જડ થઈ જાય અને તમારી સામે હિંસક પશુઓ ખૂબ વધી જાય. એને બદલે, તમે દેશનો સંપૂર્ણ વારસો લઈ લેવા આગળ વધતા રહો તેમ હું તેમને ધીમે ધીમે હાંકી કાઢીશ. “હું તમારા દેશની સરહદ અકાબાના અખાતથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને રણપ્રદેશથી યુફ્રેટિસ નદી સુધી વિસ્તારીશ. હું દેશના રહેવાસીઓ પર પ્રબળ થઈશ. તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તેમને હાંકી કાઢશો. તમે તેમની સાથે અથવા તેમના દેવો સાથે કંઈ સંધિ-કરાર કરશો નહિ. તે લોકોને તમારા દેશમાં રહેવા દેશો નહિ; જો તમે તેમને રહેવા દેશો તો તેઓ તમારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવશે. જો તમે તેમના દેવોની પૂજા કરશો તો તે તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.” પ્રભુએ મોશેને કહ્યું, “તું, આરોન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલના આગેવાનોમાંથી સિત્તેર આગેવાનો મારી પાસે ઉપર આવો. તમે આવો, ત્યારે થોડે દૂર રહીને ભક્તિપૂર્વક નમન કરો. મોશે તું એકલો જ મારી પાસે આવ અને બીજા કોઈ પાસે આવે નહિ; લોકો તો પર્વત પાસે પણ ન આવે.” મોશેએ જઈને લોકોને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ કહી સંભળાવ્યાં, અને સર્વ લોકોએ પ્રત્યુત્તર આપ્યો, “પ્રભુએ જે કહ્યું છે તે બધું અમે કરીશું.” મોશેએ પ્રભુની સર્વ આજ્ઞાઓ લખી લીધી. બીજે દિવસે વહેલી સવારે તેણે પર્વતની તળેટીમાં વેદી બનાવી. તેણે ત્યાં પ્રત્યેક કુળ માટે એક એમ ઇઝરાયલનાં બાર કુળો માટે બાર પથ્થરો ઊભા કર્યા. પછી તેણે કેટલાક જુવાનોને મોકલ્યા અને તેમણે પ્રભુને દહનબલિ તથા સંગતબલિ તરીકે કેટલાંક પ્રાણીઓનું અર્પણ કર્યું. મોશેએ અડધું રક્ત લઈને કટોરામાં ભર્યું, જ્યારે બાકીનું રક્ત વેદી ઉપર છાંટી દીધું. પછી તેણે કરારનું પુસ્તક, જેમાં તેણે પ્રભુની આજ્ઞાઓ લખી હતી તે લીધું અને લોકો સમક્ષ મોટે અવાજે વાંચી સંભળાવ્યું. તેમણે કહ્યું, “અમે પ્રભુને આધીન રહીશું અને તેમની આજ્ઞાઓ પાળીશું.” પછી મોશેએ કટોરામાંથી રક્ત લઈને લોકો પર છાંટતાં કહ્યું, “આ રક્ત તો પ્રભુએ તમને આ સર્વ આજ્ઞાઓ આપીને તમારી સાથે કરેલા કરારની મહોરમુદ્રા છે.” મોશે, આરોન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલના આગેવાનોમાંના સિત્તેર આગેવાનો પર્વત પર ગયા; અને તેમણે ઇઝરાયલના ઈશ્વરને જોયા. તેમના પગ નીચે જાણે કે નીલમના જેવી ફરસબંધી હતી અને તે સ્વચ્છ આકાશ જેવી આસમાની રંગની હતી. ઈશ્વરે ઇઝરાયલના આગેવાનોને કંઈ ઈજા કરી નહિ; તેમણે ઈશ્વરને જોયા અને પછી તેમણે સાથે ખાધુંપીધું. પ્રભુએ મોશેને કહ્યું, “તું મારી પાસે પર્વતના શિખર પર આવ. તું ત્યાં ઊભો હોઈશ ત્યારે હું તને બે શિલાપાટીઓ આપીશ. લોકોને શિક્ષણ માટે આ શિલાપાટીઓ પર મેં નિયમો તથા આજ્ઞાઓ લખેલાં છે.” મોશે તથા તેનો મદદનીશ યહોશુઆ તૈયાર થયા અને મોશે ઈશ્વરના પર્વત પર જવા ઉપડયો. મોશેએ આગેવાનોને કહ્યું, “અમે પાછા આવીએ ત્યાં સુધી અહીં જ રહેજો. આરોન તથા હૂર તમારી સાથે છે અને જો કોઈને કંઈ તકરાર થાય તો તેના નિરાકરણ માટે તેમની પાસે જાય.” મોશે સિનાઈ પર્વત પર ગયો અને વાદળે આવીને પર્વતને ઢાંકી દીધો. પ્રભુ તેમના તેજોમય ગૌરવમાં પર્વત પર ઊતર્યા. ઇઝરાયલીઓને પર્વતના શિખર પરનું પ્રભુનું ગૌરવ ભસ્મ કરનાર અગ્નિ જેવું લાગ્યું. વાદળે છ દિવસ સુધી પર્વતને ઢાંકી રાખ્યો અને સાતમે દિવસે પ્રભુએ વાદળમાંથી મોશેને બોલાવ્યો. *** મોશે વાદળમાં પ્રવેશીને પર્વત પર ચડી ગયો. મોશે પર્વત પર ચાલીસ દિવસ અને ચાલીસ રાત રહ્યો. પ્રભુએ મોશેને કહ્યું, “તું મારે માટે ઇઝરાયલીઓને ભેટ લાવવા જણાવ. દરેક માણસ રાજીખુશીથી જે કંઈ આપે તે તમારે સ્વીકારવું. તમારે આટલી વસ્તુઓની ભેટ ઉઘરાવવી: સોનું, રૂપું, તાંબુ; વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા, અળસી રેસાનું ઝીણું કાંતેલું કાપડ, બકરાના વાળ, ઘેટાંનાં ચામડાં, ઉત્તમ મુલાયમ ચામડાં, બાવળનાં લાકડાં, દીવાઓ માટે તેલ, અભિષેકના તેલ માટે તથા સુગંધીદાર ધૂપ માટે સુગંધીદ્રવ્યો, મુખ્ય યજ્ઞકારના એફોદમાં અને તેના ઉરપત્રમાં જડવા માટે ગોમેદના પથ્થરો અને બીજાં રત્નો. લોકો મારે માટે પવિત્ર નિવાસસ્થાન બનાવે, જેથી હું તેમની વચમાં રહું. હું તને જે નમૂનો દેખાડું તે જ પ્રમાણે તારે મંડપ તથા તેની સર્વ સાધનસામગ્રી બનાવવી. “તારે બાવળના લાકડામાંથી 110 સેન્ટીમીટર લાંબી, 66 સેન્ટીમીટર પહોળી અને 66 સેન્ટીમીટર ઊંચી કરારપેટી બનાવવી. તેને અંદરથી તેમજ બહારથી શુદ્ધ સોના વડે મઢી લેવી અને તેની ફરતે સોનાની કિનાર બનાવવી. તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં ઢાળીને બનાવવાં. તે કડાંને કરારપેટીના ચાર પાયા સાથે જોડવાં; જેથી દરેક બાજુએ બે કડાં રહે. તેને ઊંચકવા માટે બાવળના લાકડાના દાંડા બનાવીને તેમને સોનાથી મઢી લેવા, અને દાંડા કરારપેટીની બાજુમાંના કડાંમાં પરોવી દેવા. આ દાંડા કડાંમાં જ રહેવા દેવા અને તેમને બહાર કાઢવા નહિ. પછી હું તને આજ્ઞા લખેલી જે બે શિલાપાટીઓ આપું તે સાક્ષ્યલેખની પાટીઓ કરારપેટીમાં મૂકવી. “તારે 110 સેન્ટીમીટર લાંબું, અને 66 સેન્ટીમીટર પહોળું સોનાનું ઢાંકણ, એટલે દયાસન બનાવવું. વળી, નક્કર સોનાના બે કરુબો બનાવવા. દયાસનના બન્‍ને છેડા માટે એકએક કરુબ બનાવવો. આ ઢાંકણ અને કરુબો જાણે એક વસ્તુ હોય એ રીતે સળંગ બનાવવાં. કરુબોનાં મુખ એકબીજાની સામસામે અને દયાસનના મધ્યભાગ તરફ રાખવાં. વળી, તેમની પાંખો દયાસન પર આચ્છાદન થાય એ રીતે ઊંચે ફેલાયેલી રાખવી. સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ કરારપેટીમાં મૂકીને તેના પર દયાસન અર્થાત્ ઢાંકણ ઢાંકી દેવું. હું તને ત્યાં મળીશ અને દયાસન ઉપરથી સાક્ષ્યપેટી પરના બે કરુબો વચ્ચેથી હું તને ઇઝરાયલીઓ માટેના મારા સર્વ નિયમો આપીશ. “તારે બાવળના લાકડામાંથી 88 સેન્ટીમીટર લાંબી, 44 સેન્ટીમીટર પહોળી અને 66 સેન્ટીમીટર ઊંચી મેજ બનાવવી. તેને શુદ્ધ સોનાથી મઢી લેવી અને તેની ફરતે શુદ્ધ સોનાની કિનાર બનાવવી. તેની આસપાસ 75 મિલિમીટર પહોળી ધાર બનાવીને તેની ફરતે સોનાની કિનાર મૂકવી. તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવીને તેમને ચાર ખૂણે પાયાઓ સાથે જડી દેવાં. મેજ ઊંચકવાના દાંડા પરોવવાનાં આ કડાં મેજની ધારની નજીક મૂકવાં. બાવળના લાકડામાંથી દાંડા બનાવીને તેમને સોનાથી મઢી લેવા. વળી, થાળીઓ, વાટકાઓ, બરણીઓ અને દ્રાક્ષાસવનાં પેયાર્પણો માટે વાપરવાનાં પ્યાલાં બનાવવાં. આ સર્વ વસ્તુઓ શુદ્ધ સોનામાંથી બનાવવી. મેજ કરારપેટી આગળ મૂકવી અને તેના પર મને અર્પેલી પવિત્ર રોટલી હમેશાં મૂકેલી રાખવી. “તારે શુદ્ધ સોનાનું દીપવૃક્ષ બનાવવું. તેની બેઠક તથા તેનો દાંડો સોનામાંથી ઘડતરકામ કરી બનાવવાં. તેનાં શોભાનાં ફૂલ, કળીઓ અને પાંખડીઓ તેની સાથે સળંગ જોડાયેલાં હોવાં જોઈએ. દરેક બાજુએ ત્રણ એ રીતે તેની બાજુઓમાંથી છ શાખાઓ નીકળતી હોવી જોઈએ. તેને દરેક શાખા પર બદામના ફૂલના આકારની કળીઓ અને પાંખડીઓવાળાં શોભાનાં ત્રણ ફૂલ હોય. દીપવૃક્ષના મુખ્ય દાંડા પર બદામના ફૂલના આકારની કળીઓ અને પાંખડીઓ સહિતનાં શોભાનાં ચાર ફૂલ હોય. શાખાઓની ત્રણેય જોડમાં દરેક જોડ નીચે એક એક કળી હોય. કળીઓ, શાખાઓ અને આખું દીપવૃક્ષ સોનામાંથી ઘડેલું અને સળંગ હોવું જોઈએ. વળી, દીપવૃક્ષ માટે સાત દીવા બનાવવા અને દીપવૃક્ષની મોખરે પ્રકાશ પડે એ રીતે તેમને ગોઠવવા. તેનાં ચીપિયા અને તાસકો પણ શુદ્ધ સોનાનાં બનાવવાં. દીપવૃક્ષ તથા તેનાં સર્વ સાધનો બનાવવા માટે 35 કિલોગ્રામ શુદ્ધ સોનું વાપરવું. મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો હતો તે પ્રમાણે જ એ બધું બનાવવામાં આવે તેની કાળજી રાખવી. “મંડપના અંદરના ભાગ માટે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી તેમજ ઝીણા કાંતેલા અળસી રેસામાંથી પડદા બનાવવા. પડદા પર કરુબોની આકૃતિઓનું ભરતકામ કરવું. દરેક પડદો એક જ માપનો એટલે, બાર મીટર લાંબો, અને બે મીટર પહોળો બનાવવો. પાંચ પડદા એકબીજા સાથે સીવીને એક સમૂહ બનાવવો અને એ જ પ્રમાણે બાકીના પાંચ પડદા પણ સીવવા. દરેક સમૂહની બહારની કિનાર પર વાદળી રંગના કાપડમાંથી નાકાં બનાવવાં. પ્રથમ સમૂહના પ્રથમ પડદા પર પચાસ નાકાં અને બીજા સમૂહના છેલ્લા પડદા પર પચાસ નાકાં બનાવવાં. નાકાં એકબીજાની સામસામે આવે એ રીતે બનાવવાં. આ બન્‍ને સમૂહોને જોડી દઈ એક સળંગ પડદો બનાવવા સોનાની પચાસ કડીઓ બનાવવી. “તારે બકરાંના વાળમાંથી બનાવેલ કાપડના અગિયાર પડદામાંથી મંડપનું આચ્છાદન બનાવવું. આ અગિયારે પડદા એક જ માપના એટલે તેર મીટર લાંબા, અને બે મીટર પહોળા બનાવવા. આમાંથી પાંચ પડદા એક સાથે સીવીને એક સમૂહ બનાવવો અને બાકીના છ પડદામાંથી બીજો સમૂહ બનાવવો. છઠ્ઠો પડદો મંડપના આગલા ભાગમાં બેવડો વાળી દેવો. પ્રથમ સમૂહના છેલ્લા પડદાની બહારની કિનાર પર પચાસ નાકાં અને બીજા સમૂહના પહેલા પડદાની બહારની કિનાર પર પચાસ નાકાં બનાવવા. તાંબાની પચાસ કડીઓ બનાવવી અને એમને નાકાંમાં પરોવીને પડદાના બન્‍ને સમૂહો જોડી દઈ આખા મંડપનું આચ્છાદન બનાવવું. વધારાનો અડધો ટુકડો મંડપની પાછળના ભાગમાં લટક્તો રાખવો. મંડપની બન્‍ને બાજુએ પચાસ સેન્ટીમીટર જેટલો વધારાનો પડદો મંડપને ઢાંકી દેવા બન્‍ને બાજુએ લટક્તો રાખવો. “તારે બીજાં બે આચ્છાદન પણ બનાવવાં: એક આચ્છાદન ઘેટાંના લાલ રંગેલાં ચામડામાંથી બનાવવું. બીજું આચ્છાદન ઉત્તમ પ્રકારના મુલાયમ ચામડામાંથી બનાવવું અને તે ઉપરના આચ્છાદન તરીકે વપરાય. “મંડપ માટે બાવળનાં લાકડાનાં પાટિયાં બનાવી ઊભા મૂકવાં. દરેક પાટિયું 4 મીટર લાંબું અને 66 સેન્ટીમીટર પહોળું બનાવવું. વળી, દરેક પાટિયામાં એકબીજાને સમાન્તર એવાં સરખા માપનાં બે સાલ હોવાં જોઈએ. બધાં પાટિયાંમાં આવાં સાલ હોવાં જોઈએ. દક્ષિણ બાજુ માટે વીસ પાટિયાં બનાવવાં અને તેમની નીચે મૂકવા ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવવી. દરેક પાટિયાનાં બે સાલ માટે બે કૂંભીઓ બનાવવી. મંડપની ઉત્તર બાજુ માટે પણ વીસ પાટિયાં રાખવાં અને દરેક પાટિયાં નીચે બે એમ ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવવી. મંડપની પાછળની બાજુએ એટલે પશ્ર્વિમ બાજુએ છ પાટિયાં રાખવાં અને ખૂણાઓ માટે બે પાટિયાં બનાવવાં. ખૂણાનાં પાટિયાં નીચેથી ઉપર સુધી સળંગ જોડાયેલાં હોવાં જોઈએ. બન્‍ને ખૂણા માટે એ રીતે પાટિયાં બનાવવાં. આમ, ચાર ખૂણા માટે આઠ પાટિયાં અને દરેક પાટિયાં નીચે બે એમ ચાંદીની સોળ કૂંભીઓ હોય. “તારે બાવળના લાકડાંની પંદર વળીઓ બનાવવી. મંડપના એક બાજુનાં પાટિયાં માટે પાંચ, તેની બીજી બાજુનાં પાટિયાં માટે પાંચ અને મંડપની પાછળની એટલે પશ્ર્વિમ બાજુના પાટિયાં માટે પાંચ વળીઓ બનાવવી. વચલી વળી પાટિયાંની મધ્યમાં મંડપના એક છેડાથી બીજા છેડા સુધી આવે. પાટિયાં સોનાથી મઢી લેવાં અને તેમાં વળીઓ પરોવવા સોનાનાં કડાં બનાવવાં. વળીઓ પણ સોનાથી મઢી લેવી. મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો તે જ પ્રમાણે મંડપ ઊભો કરવાનો છે. “તારે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી અને ઝીણા કાંતેલા અળસી રેસામાંથી પડદો બનાવવો અને તેના પર કરુબોની આકૃતિઓનું ભરતકામ કરવું. તે પડદાને બાવળનાં લાકડાનાં ચાર થાંભલા પર લટકાવવો. એ થાંભલા સોનાથી મઢી લેવા. તેમની કડીઓ પણ સોનાની બનાવવી. આ થાંભલા ચાંદીની કૂંભીઓમાં બેસાડવા. મંડપના આચ્છાદનમાં બેસાડેલી કડીઓની હાર નીચે પડદો લટકાવવો. સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ સંચિત કરારપેટી આ પડદાની પાછળ મૂકવી. આ પડદો પરમ પવિત્રસ્થાનને પવિત્રસ્થાનથી અલગ પાડશે. સાક્ષ્યલેખની કરારપેટીને દયાસનથી ઢાંકી દેવી. પરમ પવિત્રસ્થાનની બહાર ઉત્તર તરફ મેજ મૂકવું અને દક્ષિણ તરફ દીપવૃક્ષ મૂકવું. “મંડપના પ્રવેશદ્વાર માટે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી અને ઝીણા કાંતેલા અળસી રેસામાંથી ભરત ભરેલો પડદો બનાવવો. આ પડદા માટે સોનાથી મઢેલ બાવળના લાકડાના પાંચ થાંભલા બનાવવા. તેની કડીઓ સોનાની હોવી જોઈએ. વળી, આ થાંભલા માટે તાંબાની પાંચ કૂંભીઓ બનાવવી.” “તારે બાવળના લાકડાની વેદી બનાવવી. તે વેદી ચોરસ હોય; તેની લંબાઈ ચાર મીટર, પહોળાઈ 2.2 મીટર અને ઊંચાઈ 1.3 મીટર હોય. તેના ચાર ખૂણા પર વેદીની સાથે એકરૂપ હોય તેવાં શિંગ બનાવવાં. આખી વેદી તાંબાથી મઢવી. વેદીની રાખ માટે ભસ્મપાત્રો, પાવડીઓ, કટોરા, ચીપિયા અને અંગારપાત્રો બનાવવાં. આ સર્વ સાધનો તાંબાનાં બનાવવાં. તાંબાની જાળી પણ બનાવવી અને જાળીના ચારે ખૂણાએ તાંબાનાં ચાર કડાં લગાડવાં. તાંબાની જાળીને વેદીની ધાર નીચે એવી રીતે મૂકવી કે તે વેદીના મધ્યભાગ સુધી પહોંચે. વેદી ઊંચકવા માટેના દાંડા બાવળનાં લાકડાંના બનાવવા અને તેમને તાંબાથી મઢવા. જ્યારે વેદી ઊંચકવામાં આવે ત્યારે વેદીની બાજુઓનાં એ કડાંમાં પરોવવા. વેદી પાટિયાંની બનાવવી અને તેને પોલાણવાળી રાખવી. મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો તે પ્રમાણે જ એ બનાવવી. “તારે મુલાકાતમંડપ માટે ઝીણા કાંતેલા અળસી રેસાના કાપડમાંથી પડદાઓનું આંગણું બનાવવું. દક્ષિણ બાજુના પડદા 44 મીટર લાંબા અને તાંબાની વીસ કૂંભીઓમાં ગોઠવેલા તાંબાના વીસ સ્તંભો પર લટકાવેલા હોય. તેની કડીઓ અને સળિયાઓ ચાંદીનાં હોવા જોઈએ. આંગણાની ઉત્તર બાજુ માટે પણ એ જ પ્રમાણે કરવું. પશ્ર્વિમ બાજુના પડદા 22 મીટર લાંબા હોય અને તેને માટે દસ કૂંભીઓમાં ગોઠવેલા દસ સ્તંભ હોય. પૂર્વ બાજુએ પ્રવેશદ્વાર આગળ આંગણું 22 મીટર પહોળું રાખવું. પ્રવેશ દ્વારની બન્‍ને બાજુએ 6.6 મીટરના પડદા હોય અને તેને માટે ત્રણ સ્તંભ અને ત્રણ કૂંભીઓ રાખવાં. *** આંગણાના પ્રવેશદ્વાર માટેનો પડદો 9 મીટર લાંબો અને વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસાનો તથા ઝીણા કાંતેલા અળસી રેસાનો તથા ભરત ભરેલો હોવો જોઈએ. તે ચાર સ્તંભોમાં લટકાવેલો હોય. આ સ્તંભો ચાર કૂંભીઓમાં ગોઠવેલા હોય. તેની કડીઓ ચાંદીની અને કૂંભીઓ તાંબાની બનાવવી. આંગણાની આસપાસના બધા સ્તંભો ચાંદીના સળિયાથી જોડાયેલા હોય. તેની કડીઓ ચાંદીની અને કૂંભીઓ તાંબાની બનાવવી. આંગણું 44 મીટર લાંબું, 22 મીટર પહોળું અને 2.2 મીટર ઊંચુ હોવું જોઈએ. તેના પડદા અળસી રેસાના બારીક વસ્ત્રના અને તેની કૂંભીઓ તાંબાની હોય. મંડપમાં વપરાતા સર્વ સાધનો તથા મંડપ અને તેના આંગણાના બધા ખીલાઓ તાંબાના બનાવેલા હોવા જોઈએ. “તું ઇઝરાયલીઓને તારી પાસે દીવાઓ માટે પીલેલું શુદ્ધ ઓલિવ તેલ લાવવાની સૂચના આપ; જેથી દીવા રોજ સાંજે હમેશાં સળગાવી શકાય. મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની સામેના પડદાની બહારની બાજુએ આરોન તથા તેના પુત્રો આ દીવા મૂકે; ત્યાં મારી સન્મુખ સાંજથી સવાર સુધી એ દીવા સતત સળગતા રાખવા. ઇઝરાયલીઓ તથા તેમના વંશજો સદાને માટે આ આજ્ઞા પાળે. “તારા ભાઈ આરોન અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામારને તારી પાસે બોલાવ. તેમને યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવવા ઇઝરાયલીઓમાંથી અલગ કર. તારા ભાઈ આરોન માટે યજ્ઞકારનાં વસ્ત્રો બનાવ; તે તેને માટે ગૌરવ અને શોભાનાં વસ્ત્રો બને. મેં જેમને કળાકૌશલ્ય બક્ષ્યાં છે એવા કારીગરોને બોલાવીને તું તેમને આરોનનાં વસ્ત્ર બનાવવાનું કહે, એ માટે કે યજ્ઞકાર તરીકે સેવા કરવા માટે તમે આરોનનું સમર્પણ કરી શકો. તું તેમને ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, ભરત ભરેલો ડગલો, પાઘડી અને કમરપટ્ટો બનાવવાનું કહે. તેઓ તારા ભાઈ આરોન તથા તેના પુત્રો માટે યજ્ઞકારનાં વસ્ત્રો બનાવે; જેથી તેઓ મારી સન્મુખ યજ્ઞકાર તરીકે સેવા કરી શકે. કારીગરો વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસા, સોનાના તાર તથા અળસીના ઝીણા કાંતેલા રેસા ઉપયોગમાં લે. “તેઓ વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસા, સોનાના તાર તથા ઝીણા કાંતેલા અળસી રેસામાંથી એફોદ બનાવે અને નિપુણ ભરતકામથી તેને સુશોભિત કરે. એફોદને બાંધવા માટે તેને બન્‍ને છેડે ખભા નજીક બે પટ્ટાઓ બનાવીને લગાડવા. વળી, એ જ વસ્તુઓનો ઉપયોગ કરીને ગૂંથેલો પટ્ટો બનાવવો અને તે એફોદ સાથે એકરૂપ થઈ જાય એ રીતે તેને જોડવો. ગોમેદના બે પથ્થરો લઈને તેના પર યાકોબના બાર પુત્રોનાં નામ કોતરવાં. એ નામ તેમની વયના ક્રમ પ્રમાણે એક પથ્થર પર છ તથા બીજા પથ્થર પર છ; એ રીતે મુદ્રા બનાવનાર કારીગરના કૌશલથી કોતરવાં અને એ પથ્થરોને સોનાના ચોકઠામાં બેસાડવા. તેમને એફોદના ખભા પરના પટ્ટાઓમાં ઇઝરાયલનાં બારે કુળોના સ્મરણ અર્થે જોડવા. એ રીતે આરોન તેમનાં નામ પોતાના ખભા પર ધારણ કરશે અને હું પ્રભુ મારા લોકને હમેશાં સ્મરણમાં રાખીશ. સોનાનાં બે ચોકઠાં બનાવજો અને વણેલી દોરીના જેવી સોનાની બે સાંકળીઓ બનાવીને આ ચોકઠાં સાથે લગાડજો. “ઈશ્વરની ઇચ્છા શી છે તે નક્કી કરવા માટે મુખ્ય યજ્ઞકારને માટે ઉરપત્ર બનાવો. એફોદની જેમ ઉરપત્ર પણ સોનાના તાર, વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસા અને ઝીણા કાંતેલા અળસી રેસાનું બનાવવું. તેનું ભરતકામ પણ એફોદના જેવું જ હોવું જોઈએ. તે ચોરસ અને બેવડું વાળેલું હોવું જોઈએ. તેની લંબાઈ 22 સેન્ટીમીટર અને પહોળાઈ 22 સેન્ટીમીટર રાખવી. તેના પર કીમતી પથ્થરોની ચાર હાર જડવી: પહેલી હારમાં માણેક, પોખરાજ, લાલ; બીજી હારમાં લીલમ, નીલમ, હીરો; ત્રીજી હારમાં શનિ, અકીક, યાકૂત અને ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ જડવા. તેમને સોનાના ચોકઠામાં જડવા. દરેક પથ્થર પર યાકોબના એક એક પુત્રનું નામ કોતરજો; જેથી તે ઇઝરાયલનાં બારે કુળો માટે સ્મરણરૂપ બની રહે. વળી, ઉરપત્ર માટે વણેલી દોરી જેવી શુદ્ધ સોનાની સાંકળીઓ બનાવજો. સોનાની બે કડીઓ બનાવીને ઉરપત્રના ઉપરના છેડા પર લગાડવી અને સોનાની બે સાંકળીઓ આ બે કડીઓમાં જોડવી. સોનાની સાંકળીઓના બીજા બે છેડાને ચોકઠામાં જડીને તેને એફોદના આગલા ભાગમાં તેના ખભા ઉપરના પટ્ટાઓમાં લગાડવી. પછી સોનાની બે કડીઓ બનાવીને ઉરપત્રના નીચેના છેડે અંદરના ભાગમાં લગાડવી. સોનાની બીજી બે કડીઓ બનાવીને એફોદના ખભા પરના પટ્ટાઓના નીચલા ભાગમાં આગળની બાજુએ સાંધાની નજીક, પણ નિપુણ કારીગરીથી ગૂંથેલા પટ્ટાની ઉપર લગાડવી. પછી ઉરપત્રની કડીઓને વાદળી દોરી વડે એફોદની કડીઓ સાથે બાંધવી; જેથી ઉરપત્ર પટ્ટાની ઉપર જ રહે અને છૂટું પડી જાય નહિ. “જ્યારે આરોન પવિત્રસ્થાનમાં પ્રવેશે ત્યારે ઇઝરાયલનાં બાર કુળોનાં નામ કોતરેલું ઉરપત્ર ધારણ કરશે, જેથી હું પ્રભુ મારા લોકોને હંમેશા સ્મરણમાં રાખીશ. તારે ઉરીમ અને થુમ્મીમને ઉરપત્રમાં મૂકવા અને આરોન મારી પવિત્ર હાજરીમાં આવે ત્યારે તે તેમને પોતાની સાથે લાવે. તે હમેશાં ઉરપત્ર પહેરીને જ આવે, જેથી ઇઝરાયલીઓ માટે મારી શી ઇચ્છા છે તે તે જાણી શકે. “એફોદ નીચે પહેરવાનો આખો ઝભ્ભો વાદળી રંગનો બનાવવો. માથા પર થઈને ઝભ્ભો પહેરવા ઝભ્ભાનો ઉપરનો ભાગ ખુલ્લો હોવો જોઈએ. એ ભાગ ફાટી ન જાય તે માટે તેને ચામડાના કવચની જેમ ઓટી લીધેલો હોવો જોઈએ. ઝભ્ભાની નીચલી કોરની ચારે તરફ વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસામાંથી બનાવેલાં દાડમ લગાડવાં અને તેમની વચ્ચે વચ્ચે ધૂઘરીઓ લટકાવવી; એટલે એક દાડમ, એક ધૂઘરી એ રીતે લગાડવાં. *** આરોન યજ્ઞકાર તરીકે સેવા કરે ત્યારે તે આ ઝભ્ભો પહેરે. જ્યારે તે પવિત્રસ્થાનમાં મારી સન્મુખ આવે અથવા બહાર જાય ત્યારે ધૂઘરીઓનો અવાજ સંભળાશે અને તે માર્યો જશે નહિ. “તું શુદ્ધ સોનાનું એક પાત્ર લે અને તારે તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતરવા: ‘યાહવેને સમર્પિત.’ તું તેને પાઘડીની આગળની બાજુએ વાદળી રંગની દોરીથી બાંધ. આરોન તેને પોતાના કપાળ પર પહેરી રાખે. ઇઝરાયલી લોકો દ્વારા ચડાવાતાં સર્વ પવિત્ર અર્પણોના સંબંધમાં કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તેનો દોષ આરોનના માથા પર રહે અને એમ હું તેમનો સ્વીકાર કરીશ. “તું આરોનનો ડગલો ઝીણા અળસી રેસામાંથી બનાવ. તેની પાઘડી પણ ઝીણા અળસી રેસામાંથી બનાવ. તેનો કમરપટ્ટો ઝીણા અળસી રેસામાંથી અને ભરત ભરેલો બનાવ. “તારે આરોનના પુત્રો માટે ડગલા, કમરપટ્ટા અને સાફા બનાવવા. એ વસ્ત્રો તેમને માટે ગૌરવ અને શોભાનાં વસ્ત્ર બને. આ વસ્ત્રો લઈને તારા ભાઈ આરોન તથા તેના પુત્રોને પહેરાવવાં. પછી તારે તેમને દીક્ષા આપી તથા ઓલિવ તેલ વડે તેમનો અભિષેક કરીને તેમનું સમર્પણ કરવું, જેથી તેઓ યજ્ઞકાર તરીકે મારી સેવા કરે. વળી, તેમને માટે કમરથી જાંઘ સુધી પહોંચે એવા અળસી રેસામાંથી સફેદ જાંઘિયા બનાવવા, જેથી તેમની નગ્નતા દેખાય નહિ. આરોન તથા તેના પુત્રો મુલાકાતમંડપમાં જાય અથવા પવિત્રસ્થાનમાં યજ્ઞકારો તરીકે સેવા કરવા વેદી પાસે આવે ત્યારે તેઓ હમેશાં જાંઘિયા પહેરે; જેથી તેમની નગ્નતા ન દેખાય અને તેઓ માર્યા ન જાય. આરોન તથા તેના વંશજો માટે આ કાયમી નિયમ છે. “આરોન તથા તેના પુત્રોને યજ્ઞકારો તરીકે મારી સેવાને માટે સમર્પણ કરવા તારે આ પ્રમાણે ક્રિયા કરવી. એક વાછરડો અને ખોડખામી વિનાના બે ઘેટા લેવા. ખમીરનો જરાપણ ઉપયોગ કર્યા વિના કેટલીક ઓલિવ તેલવાળી રોટલી, કેટલીક ભાખરી તથા કેટલાક તેલ ચોપડેલા ખાખરા બનાવવાં. પછી તેમને ટોપલીમાં મૂકવાં અને જ્યારે તું મને વાછરડાંનું તથા બે ઘેટાનું બલિદાન ચડાવે ત્યારે મને તેનું અર્પણ કરવું. “તારે આરોન તથા તેના પુત્રોને મુલાકાતમંડપના દ્વાર પાસે લાવવા અને તેમને વિધિગત રીતે સ્નાન કરવા જણાવવું. પછી આરોનને યજ્ઞકારનાં વસ્ત્રો, એટલે ડગલો, એફોદ નીચે પહેરવાનો ઝભ્ભો, એફોદ, ઉરપત્ર અને નિપુણ કારીગીરીથી ગૂંથેલો કમરપટ્ટો પહેરાવવાં. પછી તેને પાઘડી પહેરાવીને તેના પર ‘યાહવે સમર્પિત’ એવા શબ્દો કોતરેલ પવિત્ર મુગટ પહેરાવવો. પછી અભિષેક કરવાનું તેલ લઈને તેના માથા પર રેડીને તેનો અભિષેક કરવો. “વળી, તેમના પુત્રોને લાવીને તેમને ડગલા પહેરાવવા; તેમની કમર પર કમરપટ્ટા અને માથા પર ફાળિયાં બાંધવાં. એ રીતે તારે આરોન તથા તેના પુત્રોને દીક્ષા આપવી. તેઓ તથા તેમના વંશજો યજ્ઞકારો તરીકે મારી હમેશાં સેવા કરશે. “મુલાકાતમંડપના આગળના ભાગમાં વાછરડો લાવીને તારે આરોન તથા તેના પુત્રોને તે વાછરડાના માથા પર તેમના હાથ મૂકવા કહેવું. ત્યાં મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારા પવિત્ર સાનિધ્યમાં તારે વાછરડાને કાપવો. વાછરડાના રક્તમાંથી થોડું રક્ત લઈને તારી આંગળી વડે વેદીના શિંગ ઉપર લગાડવું. પછી બાકીનું રક્ત વેદીના પાયા આગળ રેડી દેવું. તે પછી, અંદરના અવયવો પરની બધી ચરબી, કલેજા પરની ચરબી, બન્‍ને મૂત્રપિંડ તથા તે પરની બધી ચરબી લઈને તેનું વેદી પર દહન કરવું. પરંતુ વાછરડાનું માંસ, ચામડું અને તેનાં આંતરડાંને છાવણી બહાર અગ્નિમાં બાળી નાખવાં. એ તો યજ્ઞકારો માટેનો પ્રાયશ્ર્વિત બલિ છે. “પછી તારે એક ઘેટો લેવો. આરોન તથા તેના પુત્રોને ઘેટાના માથા પર તેમના હાથ મૂકવા કહેવું. પછી ઘેટાને કાપીને તેનું રક્ત લઈને વેદીની ચોગરદમ છાંટવું. તે પછી, એ ઘેટાને કાપીને તેના કટકા કરવા અને તેના આંતરિક અવયવો તથા તેના પાછળના પગ ધોઈ નાખીને તેમને બીજા કટકા તથા માથા સાથે મૂકવા. તારે વેદી પર આખા ઘેટાનું દહન કરવું. એ તો મને પ્રભુને ચડાવેલ દહનબલિ છે. એના અર્પણની સુવાસ મને પ્રભુને પ્રસન્‍ન કરે છે. “તે પછી બીજો દીક્ષાબલિનો ઘેટો લેવો અને આરોન તથા તેના પુત્રોને ઘેટાના માથા ઉપર પોતાના હાથ મૂકવા કહેવું. ઘેટાને કાપવો અને તેનું થોડું રક્ત લઈને આરોન તથા તેના પુત્રોના જમણા કાનની ટીશી પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર લગાડવું; બાકીનું રક્ત વેદીની ચોગરદમ રેડી દેવું. વેદી પરના રક્તમાંથી તથા અભિષેક કરવાના તેલમાંથી થોડું લઈને આરોન તથા તેનાં વસ્ત્રો પર અને તેના પુત્રો તથા તેમનાં વસ્ત્રો પર છંટકાવ કરવો. એથી આરોન, તેના પુત્રો તથા તેમનાં વસ્ત્રો મારે માટે સમર્પિત થશે. “વળી, તારે ઘેટાની ચરબી, પૂંછડી તથા આંતરિક અવયવો પરની ચરબી, કલેજા પરની ચરબી, બન્‍ને મૂત્રપિંડ તથા તેમના પરની ચરબી અને જમણી જાંઘ કાપી લેવાં. મને અર્પણ કરેલી ખમીરરહિત રોટલીની ટોપલીમાંથી તારે દરેક પ્રકારની એકએક રોટલી, એટલે ઓલિવ તેલવાળી એક રોટલી, એક ભાખરી અને તેલ ચોપડેલો એક ખાખરો લેવાં. એ બધું તારે આરોન તથા તેના પુત્રોના હાથમાં મૂકવું અને મને તે સર્વનું આરતીરૂપે અર્પણ કરવા તેમને કહેવું. પછી એ બધું તેમના હાથમાંથી લઈને તારે તેમને વેદી પરના દહનબલિ ઉપર મૂકીને તેમનું અગ્નિબલિ તરીકે દહન કરવું. એ તો મને પ્રભુને પ્રસન્‍ન કરનાર સુવાસિત અર્પણ છે. “પછી દીક્ષાબલિના ઘેટાનો સીનો લઈને તું તેનું આરતીરૂપે મને અર્પણ કર. પ્રાણીઓનો એ ભાગ તારો હિસ્સો થશે. “જ્યારે યજ્ઞકારની દીક્ષા થાય ત્યારે દીક્ષામાં વપરાતા ઘેટાનો સીનો અને તેની જાંઘ મને આરતીરૂપે અર્પણ કરવામાં આવે અને તે પછી આરોન તથા તેના પુત્રો એટલે યજ્ઞકારો માટે તે અલગ કરવામાં આવે. જ્યારે મારા ઇઝરાયલી લોકો મને સંગતબલિ ચડાવે ત્યારે બલિના સીનાનો અને જાંઘનો ભાગ યજ્ઞકારોને ફાળે જાય; આ મારી કાયમી વ્યવસ્થા છે. એ તો લોકોએ મને પ્રભુને ચડાવેલી ભેટ છે. “આરોનના મૃત્યુ પછી તેનાં યજ્ઞકારનાં વસ્ત્રો તેના પુત્રોને આપવામાં આવે; જેથી તેમની અભિષેકપૂર્વકની દીક્ષા વખતે તેઓ તે પહેરે. આરોન પછી તેને સ્થાને યજ્ઞકાર બનીને મુલાકાતમંડપમાં પવિત્રસ્થાનમાં સેવા કરવા જનાર તેનો પુત્ર સાત દિવસ સુધી એ વસ્ત્રો પહેરે. “આરોન તથા તેના પુત્રોની દીક્ષા માટે વપરાયેલા ઘેટાનું માંસ લઈને તારે પવિત્ર જગ્યામાં બાફવું. તેઓ એ માંસ ટોપલીમાં બાકી રહેલી રોટલીઓ સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ બેસીને ખાય. તેમની દીક્ષામાં પાપોની માફીની વિધિ માટે જે કંઈ વપરાયું હોય તે તેઓ ખાય. દીક્ષાબલિના માંસમાંથી અથવા રોટલીઓમાંથી સવાર સુધી કંઈપણ બાકી રહે તો તેને બાળી નાખવું, તેને ખાવું નહિ, કારણ કે તે પવિત્ર છે. “મેં તને આપેલી આજ્ઞા પ્રમાણે આરોન તથા તેના પુત્રોનો દીક્ષાવિધિ તારે સાત દિવસ પાળવો. તારે તેમનાં પાપની ક્ષમા અર્થે દરરોજ વાછરડાનો બલિ ચડાવવો. તેથી વેદી શુદ્ધ થશે. પછી વેદીનું સમર્પણ કરવા માટે તેનો ઓલિવ તેલ વડે અભિષેક કરવો. સાત દિવસ સુધી તારે એ પ્રમાણે કરવું. તે પછી વેદી સંપૂર્ણ રીતે પવિત્ર બનશે અને જે કંઈ તેને અડકે તે પવિત્ર બની જશે. “તારે કાયમને માટે દરરોજ એક વર્ષની વયના બે હલવાનનું વેદી પર અર્પણ કરવું. એક હલવાન સવારે અને બીજું સાંજે ચડાવવું. પ્રથમ હલવાન સાથે એક લીટર શુદ્ધ ઓલિવ તેલમાં મોહેલો ઘઉંનો ઝીણો લોટ ચડાવવો અને પેયાર્પણ તરીકે એક લિટર દ્રાક્ષાસવ રેડવો. બીજું હલવાન સાંજે ચડાવવું, અને તેની સાથે તેટલા જ માપના તેલથી મોહેલો તેટલો જ લોટ અને તેટલો જ દ્રાક્ષાસવ ચડાવવો. એ તો મને પ્રભુને ચડાવેલ ધાન્ય અર્પણ છે અને તેની સુવાસ મને પ્રસન્‍ન કરે છે. મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારા સાંનિધ્યમાં આ દહનબલિ મને પેઢી દર પેઢી ચડાવવામાં આવે. ત્યાં હું તને મળીશ અને તારી સાથે વાત કરીશ. ત્યાં હું મારા ઇઝરાયલી લોકને મળીશ અને મારા ગૌરવની હાજરીથી તે સ્થાન પવિત્ર બની જશે. હું મંડપ તથા વેદીને પવિત્ર કરીશ અને આરોન તથા તેના પુત્રોને યજ્ઞકારો તરીકે મારી સેવા બજાવવા માટે હું અલગ કરીશ. હું ઇઝરાયલી લોકોની વચમાં રહીશ અને તેમનો ઈશ્વર થઈશ. તેઓ જાણશે કે હું પ્રભુ તેમનો ઈશ્વર છું અને હું તેમની વચમાં રહું તે માટે તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છું. હું તેમનો ઈશ્વર પ્રભુ છું. “તારે ધૂપ સળગાવવા માટે બાવળના લાકડામાંથી વેદી બનાવવી. તે વેદી ચોરસ બનાવવી. તેની લંબાઈ 45 સેન્ટીમીટર, પહોળાઈ 45 સેન્ટીમીટર અને ઊંચાઈ 90 સેન્ટીમીટર હોવી જોઈએ. વેદી સાથે એકરૂપ હોય એવા વેદીના ચાર ખૂણા પર ચાર શિંગ બનાવવાં. વેદીની ઉપરનો ભાગ, તેની ચારે બાજુઓ અને તેનાં શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં. તારે તેની આસપાસ સોનાની કિનાર બનાવવી. સોનાનાં બે કડાં બનાવીને કિનારની નીચે વેદીની બન્‍ને બાજુઓ પર લગાડવાં; જેથી વેદી ઊંચકવા માટેના દાંડા તેમાં પરોવી શકાય. આ દાંડાઓ બાવળના લાકડામાંથી બનાવીને તેમને સોનાથી મઢી લેવા. વેદીને પડદા આગળ સાક્ષ્યલેખની કરારપેટીને મોખરે એટલે મેં તને જ્યાં મળવાનું ઠરાવ્યું છે તે સાક્ષ્યલેખને ઢાંકનાર દયાસનની સામે મૂકવી. આરોન દર સવારે દીવાની સાફસૂફી કરવા આવે ત્યારે તે આ વેદી પર સુગંધીદાર ધૂપ બાળે. સાંજે પણ તે દીવા પેટાવવા આવે ત્યારે એ જ પ્રમાણે કરે. ધૂપનું આ અર્પણ પેઢી દર પેઢી નિત્ય કરવાનું છે. આ વેદી પર મના કરેલ કોઈપણ ધૂપ, કોઈ પશુબલિ અથવા ધાન્યાર્પણ ચડાવવાં નહિ. તેના પર દ્રાક્ષાસવનું પેયાર્પણ પણ રેડવું નહિ. વર્ષમાં એકવાર આરોને આ વેદીના શુદ્ધિકરણનો વિધિ કરવો. પ્રાયશ્ર્વિત બલિના રક્તમાંથી થોડું રક્ત લઈને વેદીનાં ચાર શિંગો પર લગાડીને આ વિધિ કરવો, દર વર્ષે પેઢી દર પેઢી એ પ્રમાણે કરવું. આ વેદી સંપૂર્ણ પવિત્ર અને મને પ્રભુને સમર્પિત છે.” પ્રભુએ મોશેને કહ્યું, “જ્યારે તું ઇઝરાયલી લોકોની વસ્તી ગણતરી કરે ત્યારે દરેક પુરુષ પોતાના જીવને માટે મને કિંમત ચૂકવે; જેથી વસ્તી ગણતરી દરમ્યાન તેના પર કોઈ આફત આવી પડે નહિ. વસ્તી ગણતરીમાં જેમની ગણતરી થાય તે દરેક જણે મુલાકાતમંડપના નિયત વજનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ એટલે છ ગ્રામ જેટલું રૂપું આપવું. જેની ગણતરી થાય એવો વીસ કે તેથી વધુ ઉંમરનો દરેક પુરુષ મને તે અર્પણ તરીકે ચૂકવે. પોતાના જીવને માટે આ પ્રાયશ્ર્વિતનું મૂલ્ય ચૂકવતી વખતે શ્રીમંત માણસ વધારે ન ચૂકવે અને ગરીબ માણસ ઓછું ન ચૂકવે. ઇઝરાયલી લોકો પાસેથી આ રકમ તેમના પ્રાયશ્ર્વિતના મૂલ્ય તરીકે ઉઘરાવવી અને તેનો ઉપયોગ મુલાકાતમંડપના સેવાકાર્ય માટે કરવો. એ રકમ તો તેમના જીવના પ્રાયશ્ર્વિતનું મૂલ્ય છે; એને લીધે હું તેમનું રક્ષણ કરવાનું યાદ રાખીશ.” પ્રભુએ મોશેને કહ્યું, “તારે તાંબાની બેઠકવાળો તાંબાનો જળકુંડ બનાવવો. તેને મુલાકાતમંડપ અને યજ્ઞવેદીની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું. આરોન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં જાય અથવા યજ્ઞવેદી પર અર્પણો ચડાવવા આવે તે પહેલાં તેમણે પોતાના હાથપગ ધોવા માટે આ પાણી વાપરવું; જેથી તેઓ માર્યા જાય નહિ. *** તેમણે પોતાના હાથપગ ધોવા; એ માટે કે તેઓ માર્યા જાય નહિ. તેમણે તથા તેમના વંશજોએ પાળવાનો આ કાયમી નિયમ છે.” પ્રભુએ મોશેને કહ્યું, “ઉત્તમ તેજાના એટલે છ કિલોગ્રામ પ્રવાહી બોળ, ત્રણ કિલોગ્રામ સુગંધીદાર તજ, ત્રણ કિલોગ્રામ સુગંધીદાર બરુ અને છ કિલોગ્રામ દાલચીની લે. (એ સર્વ મુલાકાતમંડપના નિયત તોલના શેકેલ પ્રમાણે છે.) તેમાં ચાર લિટર ઓલિવ તેલ ઉમેર. અત્તરના જેવી મેળવણી કરીને તું અભિષેક કરવાનું તેલ બનાવ. તું મંડપ, સાક્ષ્યલેખની કરારપેટી, મેજ તથા તેની સર્વ સામગ્રી, દીપવૃક્ષ તથા તેની સર્વ સામગ્રી, ધૂપવેદી, યજ્ઞવેદી તથા તેની સર્વ સામગ્રી અને જળકુંડ તથા તેની સર્વ સામગ્રીનો અભિષેક કરવા માટે એ તેલનો ઉપયોગ કર. *** *** આ વસ્તુઓનું એ રીતે સમર્પણ કર એટલે તેઓ સંપૂર્ણ પવિત્ર બનશે; જે કંઈ તેમને અડકે તે પણ પવિત્ર બની જશે. પછી આરોન અને તેના પુત્રોનો અભિષેક કર અને મારી સેવામાં તેમને યજ્ઞકાર તરીકે દીક્ષા આપ. ઇઝરાયલીઓને કહે કે અભિષેક કરવાનું આ પવિત્ર તેલ પેઢી દરપેઢી મારી સેવામાં વાપરવું. આ તેલ સામાન્ય માણસો પર રેડવામાં આવે નહિ અને કોઈપણ અન્ય મિશ્રણ બનાવવા માટે મેળવણીના આ પ્રમાણનો ઉપયોગ કરવો નહિ. તે પવિત્ર છે અને તારે તેને પવિત્ર તેલ તરીકે જ વાપરવું. જો કોઈ વ્યક્તિ તેના જેવું તેલ બનાવે અથવા યજ્ઞકાર સિવાયની વ્યક્તિ માટે તેનો ઉપયોગ કરે તો તે મારા લોકમાંથી દૂર કરાશે.” પ્રભુએ મોશેને કહ્યું, “તું નાટાફ, શહેલેથ અને હેલ્બાના એ ખુશબોદાર તેજાનાઓ સરખા ભાગે લે. વળી, ચોખ્ખું લોબાન લે. પછી અત્તરની જેમ મેળવણી કરીને તેમાંથી ધૂપ બનાવ. ધૂપને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે તેમાં મીઠું ઉમેર. તેમાંથી થોડુંક લઈને ઝીણું ખાંડી નાખ અને પછી તેને મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટી આગળ મૂક. આ ધૂપને સંપૂર્ણ પવિત્ર ગણવો. તમારે માટે અન્ય ધૂપ બનાવવા તમારે આ ધૂપની મેળવણીના પ્રમાણનો ઉપયોગ કરવો નહિ. તમારે તેને પવિત્ર અને મને સમર્પિત થયેલો ગણવો. સુગંધી તરીકે ઉપયોગમાં લેવા કોઈપણ વ્યક્તિ તેના જેવો ધૂપ બનાવે તો તે મારા લોકોમાંથી દૂર કરાશે.” પ્રભુએ મોશેને કહ્યું, “મેં યહૂદાના કુળમાંથી ઊરીના પુત્ર તથા હોરીના પૌત્ર બસાલએલની નામ દઈને પસંદગી કરી છે *** મેં તેને ઈશ્વરના આત્મા દ્વારા દરેક પ્રકારની કલાકારીગીરી માટે બુદ્ધિ, સમજ, જ્ઞાન તથા કૌશલ્યથી ભરપૂર કર્યો છે. એ માટે કે સોનું, ચાંદી અને તાંબાના નકશીકામ માટે તે વિવિધ પ્રકારની ભાત બનાવવામાં, કીમતી પથ્થરોના જડાવકામ માટે, પાસા પાડવામાં તેમ જ લાકડાનું નકશીકામ કરવામાં તે નિપુણ બને. વળી, બસાલએલની સાથે કામ કરવા માટે મેં દાનના કુળમાંથી અહિસામાખના પુત્ર ઓહોલીઆબનો પણ મારા આત્માથી અભિષેક કર્યો છે. મેં સર્વે કુશળ કારીગરોને પણ ઉત્તમ કાર્યદક્ષતા બક્ષી છે; જેથી તેઓ સૌ મારી આજ્ઞા પ્રમાણે આ બધી વસ્તુઓ બનાવે: મુલાકાતમંડપ, સાક્ષ્યલેખની કરારપેટી અને તે પરનું દયાસન, મંડપનો સર્વ સરસામાન, મેજ તથા તેની સઘળી સામગ્રી, શુદ્ધ સોનાનું દીપવૃક્ષ અને તેની સામગ્રી, ધૂપવેદી, યજ્ઞવેદી તથા તેની સામગ્રી, જળકુંડ તથા તેની બેઠક તથા યજ્ઞકારના સેવાકાર્ય માટે આરોન યજ્ઞકાર તથા તેના પુત્રોનાં પવિત્ર વસ્ત્રો, અભિષેક કરવા માટેનું તેલ અને પવિત્રસ્થાન માટે સુગંધીદાર ધૂપ. મેં તને ફરમાવ્યું છે બરાબર તે જ પ્રમાણે તેઓ તે સઘળું બનાવે.” પ્રભુએ ઇઝરાયલી લોકોને આવું ફરમાવવા મોશેને આદેશ કર્યો: “તમારે સાબ્બાથ એટલે મારા વિશ્રામનો દિવસ નિશ્ર્વે પાળવો. કારણ, તે મારી તથા તમારી વચ્ચે પેઢી દરપેઢીનું પ્રતીક છે. એ પરથી તમને યાદ આવશે કે મેં પ્રભુએ તમને મારા પોતાના લોક થવા માટે અલગ કર્યા છે. *** તેથી તમારે સાબ્બાથદિન જરૂરથી પાળવો; કારણ કે તે પવિત્ર છે. સાબ્બાથદિન નહિ પાળતાં તે દિવસે કામ કરનારને નિશ્ર્વે મારી નાખવો. છ દિવસ તમારે તમારાં સર્વ કામ કરવાં, પરંતુ સાતમો દિવસ સંપૂર્ણ આરામનો દિવસ છે અને મારે માટે અલગ કરાયેલો છે. સાબ્બાથદિને કાર્ય કરનાર નિશ્ર્વે માર્યો જાય. ઇઝરાયલી લોકો આ દિવસને કરારના ચિહ્ન તરીકે પાળે. એ સાબ્બાથદિન ઇઝરાયલી લોકો અને મારી વચ્ચેનું કાયમનું ચિહ્ન છે. કારણ, મેં પ્રભુએ છ દિવસમાં આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું અને સાતમે દિવસે મેં કંઈ કાર્ય ન કરતાં આરામ કર્યો.” સિનાઈ પર્વત ઉપર ઈશ્વરે મોશેની સાથેની વાત પૂરી કરીને તેમણે તેને પોતાની આંગળીથી આજ્ઞાઓ લખેલા સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ આપી. જ્યારે લોકોએ જોયું કે મોશેને પર્વત પરથી નીચે આવતાં ઘણો વિલંબ થાય છે, ત્યારે તેમણે આરોનની પાસે એકઠા થઈને તેને કહ્યું, “અમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવનાર માણસ મોશેનું શું થયું છે તે અમે જાણતા નથી. તેથી અમારે માટે અમને દોરનાર દેવ બનાવ.” આરોને તેમને કહ્યું, “તમારી પત્નીઓ, તમારા પુત્રો અને તમારી પુત્રીઓના કાનમાંથી સોનાની વાળીઓ કાઢી લાવો.” તેથી બધા લોકો પોતાની સોનાની વાળીઓ લઈ આવ્યા. આરોને તે વાળીઓ લઈને પીગાળી નાખી અને ધાતુના બીબામાં ઢાળીને તેમાંથી સોનાનો વાછરડો બનાવ્યો. ત્યારે લોકોએ કહ્યું, “હે ઇઝરાયલ, આપણને ઇજિપ્તમાંથી કાઢી લાવનાર ઈશ્વર આ છે!” પછી આરોને સોનાના વાછરડાની આગળ વેદી બનાવીને જાહેર કર્યું, “આવતી કાલે પ્રભુના માનમાં પર્વ પાળવામાં આવશે.” બીજે દિવસે સવારે તેમણે પશુઓ લાવીને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યાં. લોકો ખાવાપીવા બેઠા અને પછી ઊઠીને મોજમજા કરવા લાગ્યા. ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “હમણાં જ નીચે જા, કારણ, તારા લોક જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો તેમણે પાપ કર્યું છે અને મારો નકાર કર્યો છે. મેં તેમને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી તેનાથી તેઓ બહુ જલદી ભટકી ગયા છે. તેમણે પોતાને માટે સોનાનો વાછરડો બનાવીને તેની પૂજા કરી છે અને બલિદાનો ચડાવ્યાં છે. વળી તેઓ કહે છે કે ઇજિપ્તમાંથી તેમને કાઢી લાવનાર એ જ તેમનો ઈશ્વર છે. આ લોકો કેવા હઠીલા છે તે હું જાણું છું. હવે તું મને વારીશ નહિ; મારો ક્રોધ તેમના પર ભભૂકી ઊઠયો છે અને હું તેમનો નાશ કરી નાખીશ. પછી હું તને તથા તારા વંશજોને એક મહાન પ્રજા બનાવીશ.” પરંતુ મોશેએ પોતાના ઈશ્વર પ્રભુને આજીજી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા આ લોકને તમે મહાન સામર્થ્ય અને બાહુબળથી ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો. તો હવે તમે તેમના પર શા માટે ક્રોધાયમાન થાઓ છો? ઇજિપ્તીઓને એવું શા માટે કહેવા દેવું કે તમે તમારા લોકોને પર્વતો મધ્યે મારી નાખવા તથા પૃથ્વીના પટ પરથી તેમનો સંપૂર્ણ સંહાર કરવા ઇજિપ્તમાંથી લઈ ગયા? તેથી તમારો ગુસ્સો શમાવી દો; તમારો વિચાર બદલો અને તમારા લોક પર આફત લાવવાનું માંડી વાળો. તમારા સેવકો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને યાદ કરો. વળી, તમે તેમને સમ ખાઈને આવું વચન આપ્યું હતું: ‘આકાશના તારાઓ જેટલાં હું તમારાં સંતાન વધારીશ. મારા કહ્યા પ્રમાણે આ આખો દેશ હું તમારા વંશજોને કાયમના વતન માટે આપીશ.” તેથી પ્રભુએ પોતાનો વિચાર બદલ્યો અને લોકો પર તેમણે જે આફત લાવવા કહ્યું હતું તે તેમના પર લાવ્યા નહિ. મોશે પર્વત પરથી નીચે ઊતરી આવ્યો. તેના હાથમાં સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ હતી. તે પાટીઓની બન્‍ને બાજુએ આજ્ઞાઓ લખેલી હતી. ઈશ્વરે પોતે એ શિલાપાટીઓ બનાવી હતી અને તેમણે પોતે જ તેના પર આજ્ઞાઓ કોતરી હતી. યહોશુઆએ લોકોની બૂમાબૂમ સાંભળીને મોશેને કહ્યું, “છાવણીમાં લડાઈનો કોલાહલ સંભળાય છે.” મોશેએ કહ્યું, “એ તો વિજયનો જયનાદ કે પરાજયની પોક જેવો લાગતો નથી; પણ જાણે ગીતો ગવાતાં હોય તેવું લાગે છે.” છાવણીની નજીક આવતાં મોશેએ વાછરડો જોયો અને લોકોને નાચતા જોયા. તેથી તેનો ક્રોધ ભભૂકી ઊઠયો. તેણે ત્યાં પર્વતની તળેટીમાં જ શિલાપાટીઓ ફેંકી દઈને તેમને ભાંગી નાખી. પછી તેમણે બનાવેલો વાછરડો તેણે આગમાં પીગાળી નાખ્યો. તેણે તેનો ભાંગીને ભૂક્કો કર્યો અને પાણીમાં મેળવી દઈને તે પાણી સર્વ ઇઝરાયલીઓને પીવડાવ્યું. તેણે આરોનને કહ્યું, “લોકોએ તને શું કર્યું કે તેં તેમને આવા મોટા પાપમાં પ્રેર્યા?” આરોને જવાબ આપ્યો, “મારા પર ગુસ્સે ન થઈશ; તું આ લોકોને તો ઓળખે છે કે તેઓ સ્વભાવે દુષ્ટ છે. તેમણે મને કહ્યું, ‘અમને ઇજિપ્તમાંથી છોડાવી લાવનાર એ માણસ મોશેનું શું થયું તે અમે જાણતા નથી. તેથી અમારે માટે અમને દોરી જનાર દેવ બનાવ.’ તેથી મેં તેમને સોનાનાં ઘરેણાં લાવવા કહ્યું. જેમની પાસે ઘરેણાં હતાં તે લાવ્યા. મેં તે અગ્નિમાં નાખ્યાં એટલે તેમાંથી આ વાછરડો નીકળી આવ્યો!” મોશેએ જોયું કે આરોને લોકોને છકી જવા દઈને દુશ્મનોની નજરમાં તેમને હાંસીપાત્ર બનાવ્યા હતા. તેથી મોશેએ છાવણીના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને કહ્યું, “જેઓ પ્રભુના પક્ષમાં હોય તેઓ અહીં આવે!” તેથી લેવીના સર્વ વંશજો તેની આસપાસ એકઠા થયા. તેણે તેમને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તમને આજ્ઞા કરે છે કે તમે પ્રત્યેક તમારી તલવાર લઈને આ પ્રવેશદ્વારથી બીજા પ્રવેશદ્વાર સુધી આખી છાવણીમાં ફરી વળીને પોતાના ભાઈઓને, મિત્રોને તથા પડોશીઓને મારી નાખો.” લેવીના વંશજોએ મોશેના કહેવા પ્રમાણે તે દિવસે લગભગ ત્રણ હજાર માણસોને મારી નાખ્યા. મોશેએ લેવીના વંશજોને કહ્યું, “તમે તમારા પુત્રો અને ભાઈઓને આજે મારી નાખીને યજ્ઞકાર તરીકેની સેવા માટે પ્રભુને પોતાનું સંપૂર્ણ સમર્પણ કર્યું છે. તેથી પ્રભુએ તમને આશિષ આપી છે.” બીજે દિવસે મોશેએ લોકોને કહ્યું, “તમે અઘોર પાપ કર્યું છે. પરંતુ હું હવે ફરી પર્વત પર પ્રભુની પાસે જઈશ. કદાચ હું તમારા પાપનું પ્રાયશ્ર્વિત કરી શકું.” પછી મોશેએ પ્રભુની પાસે પાછા જઈને કહ્યું, “આ લોકોએ અઘોર પાપ કર્યું છે. તેમણે સોનાનો દેવ બનાવીને તેની પૂજા કરી છે. કૃપા કરી તેમના પાપની ક્ષમા કરો; પરંતુ તમે તેમનું પાપ માફ ન કરો તો તમારા લોકોની નામાવલિના તમારા પુસ્તકમાંથી મારું નામ કાઢી નાખો.” પ્રભુએ કહ્યું, “હું તો મારી વિરુદ્ધ પાપ કરનારનું નામ મારા પુસ્તકમાંથી કાઢી નાખીશ. તેથી હવે તું આ લોકોને મેં તને જે સ્થળ વિષે કહ્યું છે ત્યાં દોરી જા. યાદ રાખ, મારો દૂત તને દોરશે. પરંતુ એક એવો દિવસ આવશે કે જ્યારે હું આ લોકને તેમનાં પાપની સજા કરીશ.” તેથી પ્રભુએ લોકો પર રોગચાળો મોકલ્યો. કારણ, તેમણે આરોનને સોનાનો વાછરડો બનાવવાની ફરજ પાડી હતી. પ્રભુએ મોશેને કહ્યું, “તું અહીંથી નીકળીને જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છે તે લોકોને લઈને, જે દેશ વિષે મેં અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબને શપથપૂર્વક કહ્યું હતું કે હું તે દેશ તેમના વંશજોને આપીશ તે દેશમાં જા. તને દોરવણી આપવા હું મારા દૂતને મોકલીશ અને હું કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને કાઢી મૂકીશ. તમારે તો દૂધમધની રેલમછેલવાળા દેશમાં જવાનું છે. પરંતુ હું પોતે તમારી સાથે આવીશ નહિ; કારણ, તમે હઠીલી પ્રજા છો અને કદાચ હું રસ્તામાં તમારો નાશ કરી બેસું.” એ સાંભળીને લોકો રડવા લાગ્યા અને ત્યાર પછી તેમણે ઘરેણાં પહેર્યાં નહિ; કારણ, પ્રભુએ લોકોને આ પ્રમાણે કહેવા આજ્ઞા આપી હતી: “તમે હઠીલા લોકો છો. જો હું તમારી સાથે થોડીવાર પણ આવું તો હું તમારો સંપૂર્ણ નાશ કરી બેસું. તેથી હવે તમારાં ઘરેણાં ઉતારી દો અને મારે તમારું શું કરવું તે હું પછી નક્કી કરીશ.” તેથી હોરેબ પર્વત પાસેથી નીકળ્યા પછી ઇઝરાયલી લોકોએ કદી ઘરેણાં પહેર્યાં નહિ. ઇઝરાયલીઓ જ્યાં જ્યાં પડાવ નાખતા ત્યાં મોશે છાવણીથી થોડે દૂર મંડપ ઊભો કરતો. તે મુલાકાતમંડપ કહેવાતો; કારણ, પ્રભુની દોરવણી શોધનાર પ્રત્યેક માણસ એ છાવણી બહારના મુલાકાતમંડપમાં જતો. જ્યારે મોશે છાવણીમાંથી નીકળીને મુલાકાતમંડપ પાસે જતો ત્યારે લોકો પોતાના તંબુના પ્રવેશદ્વાર પર ઊભા રહેતા અને જ્યાં સુધી તે મંડપમાં પ્રવેશે નહિ ત્યાં સુધી તેને જોઈ રહેતા. મોશે મંડપમાં પ્રવેશે તે પછી મેઘસ્થંભ નીચે આવીને મંડપના દ્વાર પાસે થોભી જતો અને પ્રભુ મોશે સાથે વાત કરતા હતા. મેઘસ્થંભને મંડપના પ્રવેશદ્વાર પાસે જોતાની સાથે જ લોકો પોતે પોતાના તંબુના પ્રવેશદ્વાર આગળ ધૂંટણિયે પડતા. માણસ જેમ પોતાના મિત્ર સાથે વાત કરે તેમ પ્રભુ મોશે સાથે રૂબરૂ વાત કરતા. પછી મોશે છાવણીમાં પાછો આવતો. પરંતુ મોશેનો સેવક, નૂનનો પુત્ર યહોશુઆ તો મંડપમાં જ રહેતો. મોશેએ પ્રભુને કહ્યું, “તમે મને કહ્યું છે કે આ લોકોને તે દેશમાં દોરી લઈ જા; પરંતુ તમે મારી સાથે કોને મોકલશો તે મને જણાવ્યું નથી. વળી, તમે મને કહ્યું છે કે તમે મને સારી રીતે ઓળખો છો, મારું નામ જાણો છો અને મારાથી તમે પ્રસન્‍ન પણ છો. હવે જો તમે મારા પર ખરેખર પ્રસન્‍ન થયા હો તો તમારી યોજના મને જણાવો; જેથી હું તમારી સેવા કરું અને તમને પ્રસન્‍ન કરું. વળી, આ પ્રજાને તમે તમારા લોકો તરીકે પસંદ કર્યા છે તે વાત પણ લક્ષમાં રાખજો.” પ્રભુએ કહ્યું, “હું તારી સાથે આવીશ અને તને વિજયી બનાવીશ.” મોશેએ કહ્યું, “જો તમે અમારી સાથે ન આવો, તો અમને આ સ્થળેથી જવા ન દેશો. જો તમે અમારી સાથે ન આવો, તો તમે તમારા લોકો ઉપર તથા મારા પર પ્રસન્‍ન થયા છો તે કેવી રીતે જાણી શકાય? અમારી સાથેની તમારી હાજરીથી જ અમે પૃથ્વીના બીજા લોકોથી અલગ તરી આવીએ છીએ.” પ્રભુએ મોશેને કહ્યું, “તારા કહેવા પ્રમાણે હું કરીશ. કારણ, હું તને ઓળખું છું. તારું નામ પણ જાણું છું અને હું તારા પર પ્રસન્‍ન છું.” પછી મોશેએ વિનંતી કરીને કહ્યું, “કૃપા કરીને મને તમારી સમક્ષતાના ગૌરવનું દર્શન કરાવો.” પ્રભુએ તેને કહ્યું, “હું તને મારા ગૌરવનું દર્શન કરાવીશ અને તારી સમક્ષ મારું પવિત્ર નામ જાહેર કરીશ. હું પ્રભુ છું, અને જેમને હું પસંદ કરું છું તેમને મારી કૃપા તથા દયા દર્શાવું છું. તું મારું મુખ જોઈ શકીશ નહિ; કારણ, મને જોઈને કોઈ વ્યક્તિ જીવતી રહી શક્તી નથી. પરંતુ અહીં મારી નજીક એક જગ્યા છે; તું ત્યાં ખડક પર ઊભો રહી શકીશ. જ્યારે મારું ગૌરવ તારી આગળથી પસાર થાય ત્યારે હું તને ખડકના પોલાણમાં રાખીશ અને હું પસાર થઈ જાઉં ત્યાં સુધી, મારા હાથ વડે તને ઢાંકી રાખીશ. પછી હું મારો હાથ લઈ લઈશ એટલે તું મારી પીઠ જોઈ શકીશ, પરંતુ તું મારા મુખનાં દર્શન કરી શકીશ નહિ.” પ્રભુએ મોશેને કહ્યું, “પહેલાંની શિલાપાટીઓ જેવી બે શિલાપાટીઓ ઘડી લાવ, અને તેં ભાંગી નાખેલી શિલાપાટીઓ પર જે લખાણ હતું તે હું આ પાટીઓ પર લખીશ. આવતી કાલે સવારે તૈયાર થઈને સિનાઈ પર્વતના શિખર પર આવીને ત્યાં મને મળજે. કોઈ તારી સાથે ઉપર ન આવે; વળી, પર્વત પર કોઈ માણસ જોવા ન મળે; અને ઘેટાંબકરાં કે ઢોરઢાંક પણ પર્વતની તળેટીમાં ચરવા ન આવે.” તેથી મોશેએ પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી કાઢી અને બીજે દિવસે સવારે વહેલો ઊઠીને પ્રભુની આજ્ઞા અનુસાર તે શિલાપાટીઓ લઈને સિનાઈ પર્વત પર ગયો. ત્યારે પ્રભુ ત્યાં વાદળામાં નીચે ઊતર્યા, તેની સાથે ઊભા રહ્યા અને પોતાનું પવિત્ર નામ યાહવે ઉચ્ચાર્યું. પછી પ્રભુ તેની આગળ થઈને પસાર થયા અને પોકાર્યું, “યાહવે, યાહવે, હું કૃપા તથા દયાથી ભરપૂર ઈશ્વર છું. હું મંદરોષી તથા કરુણા અને નિષ્ઠાનો ભર્યો ભંડાર છું. હું હજારો પેઢીઓ સુધી મારું વચન પાળનાર અને દુષ્ટતા તથા પાપની માફી આપનાર છું. છતાં માતપિતાનાં પાપોને લીધે ત્રીજીચોથી પેઢી સુધી સંતાનોનાં સંતાનોને શિક્ષા કરું છું.” મોશેએ તરત જ જમીન સુધી નમીને ઈશ્વરની આરાધના કરી. તેણે કહ્યું, “હે પ્રભુ, જો તમે મારા પર ખરેખર પ્રસન્‍ન થયા હો તો કૃપા કરીને અમારી સાથે ચાલો. આ લોકો તો હઠીલા છે; છતાં અમારી દુષ્ટતા અને અમારાં પાપોની ક્ષમા આપો, અને તમારા પોતાના લોકો તરીકે અમારો સ્વીકાર કરો.” પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું ઇઝરાયલી લોકો સાથે કરાર કરું છું. આ પૃથ્વી પર કોઈપણ પ્રજામાં ન થયાં હોય એવાં મહાન કાર્યો હું આ લોકો સમક્ષ કરીશ. હું પ્રભુ કેવાં મહાન કાર્યો કરી શકું છું તે સર્વ લોકો જોશે; કારણ, હું તમારે માટે અજાયબ કાર્યો કરવાનો છું. હું તમને આજે જે આજ્ઞાઓ આપું છું તેનું તમારે પાલન કરવાનું છે. હું અમોરીઓને, કનાનીઓને, હિત્તીઓને, પરીઝીઓને, હિવ્વીઓને અને યબૂસીઓને તમારી આગળથી હાંકી કાઢીશ. તમે જે દેશમાં જાઓ છો ત્યાંના રહેવાસીઓ સાથે કોઈપણ જાતનો સંધિ-કરાર કરશો નહિ; નહિ તો તે તમારે માટે ફાંદારૂપ થઈ પડશે. તેથી તમારે તો તેમની વેદીઓ તોડી પાડવી, તેમના ધાર્મિકસ્તંભોનો નાશ કરવો અને તેમની દેવી અશેરાની મૂર્તિઓ કાપી નાખવી. “તમારે બીજા કોઈ દેવની પૂજા કરવી નહિ. કારણ, હું યાહવે મારા કોઈ પ્રતિસ્પર્ધીને સાંખી લેતો નથી. તમારે તે દેશના રહેવાસીઓ સાથે કોઈ જાતનો સંધિ-કરાર કરવો નહિ. કારણ, જ્યારે તેઓ તેમના દેવતાઓની પૂજા કરશે અને તેમને બલિદાનો ચડાવશે ત્યારે તેઓ તમને તેમની સાથે ભાગીદાર થવા આમંત્રણ આપશે અને તમે તેમના દેવોને ચડાવેલો પ્રસાદ ખાવાની લાલચમાં પડશો. વળી, તમારા પુત્રો ત્યાંની પરદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરશે અને તે સ્ત્રીઓ તેમને તેમના દેવોની પૂજા કરવા પ્રેરશે અને એ રીતે તેઓ તમને બેવફા બનાવી દેશે. “તમે ધાતુના ઢાળેલા દેવો ન બનાવશો અને તેમની પૂજા પણ ન કરશો. “તમારે ખમીરરહિત રોટલીનું પર્વ પાળવું. મેં તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં સાત દિવસ સુધી ખમીર વગરની રોટલી ખાવી; કારણ, આબીબ માસમાં તમે ઇજિપ્તમાંથી નીકળ્યા હતા. “પ્રત્યેક પ્રથમજનિત પુત્ર અને તમારાં પશુઓના પ્રથમજનિત નર મારા છે. પરંતુ પ્રત્યેક પ્રથમજનિત ગધેડું તમારે ઘેટાનું અર્પણ આપીને છોડાવી લેવું. જો તમે તેને એ રીતે મૂલ્ય ચૂકવી છોડાવી ન શકો તો તમારે તેની ગરદન ભાંગી નાખવી. પ્રત્યેક પ્રથમજનિત પુત્ર પણ તમારે મૂલ્ય આપીને છોડાવી લેવો. “મારી સમક્ષ આવનાર પ્રત્યેક જણે અર્પણ લીધા સિવાય આવવું નહિ. “છ દિવસ તમારે પરિશ્રમપૂર્વક તમારું કાર્ય કરવું પરંતુ સાતમે દિવસે તમારે કંઈ કાર્ય ન કરવું. જમીન ખેડવાના સમયે અથવા કાપણીના સમયે પણ તમારે સાતમે દિવસે કાર્ય કરવું નહિ. “તમારા ઘઉંના પ્રથમફળની કાપણીની શરૂઆતે તમારે કાપણીનું પર્વ ઊજવવું અને પાનખર ઋતુમાં જ્યારે તમે તમારો પાક એકત્ર કરો ત્યારે તમારે સંગ્રહનું પર્વ પાળવું. “વર્ષમાં ત્રણવાર તમારા સર્વ પુરુષોએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુની એટલે મારી ભક્તિ કરવા માટે આવવું. હું તમારી આગળથી અન્ય પ્રજાઓને હાંકી કાઢીશ અને તમારી સીમાઓ વધારીશ. એ ત્રણ પર્વો દરમ્યાન કોઈ તમારા દેશ પર આધિપત્ય જમાવવા પ્રયત્ન કરશે નહિ. “જ્યારે તું મને પ્રાણીનું અર્પણ કરે ત્યારે તારે ખમીરવાળી રોટલીનું અર્પણ કરવું નહિ. વળી, પાસ્ખાપર્વની ઉજવણી વખતે કાપેલ હલવાનનો કોઈપણ ભાગ સવાર સુધી રહેવા દઈશ નહિ. “દર વરસે તારે તારી કાપણીનું પ્રથમ ફળ તારા ઈશ્વર પ્રભુના ઘરમાં લાવવું. “તારે ઘેટાંનું અથવા બકરીનું બચ્ચું તેની માતાના દૂધમાં બાફવું નહિ.” પછી પ્રભુએ મોશેને કહ્યું, “આ કથનો લખી લે; કારણ, આ કથનો પ્રમાણે હું તારી સાથે તથા ઇઝરાયલી લોકો સાથે કરાર કરું છું.” મોશે ત્યાં પ્રભુ સાથે ચાળીસ દિવસ અને ચાળીસ રાત રહ્યો; તેણે એ સમય દરમ્યાન કંઈ ખોરાક ખાધો નહોતો કે પાણી પીધું નહોતું. તેણે શિલાપાટીઓ પર કરારનાં વચનો અર્થાત્ દસ આજ્ઞાઓ લખી લીધી. મોશે જ્યારે સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ લઈને સિનાઈ પર્વત પરથી નીચે આવ્યો ત્યારે પ્રભુની સાથે વાત કર્યાને લીધે તેનું મુખ પ્રકાશતું હતું; જો કે મોશેને તેની ખબર નહોતી. આરોન તથા સર્વ લોકોએ મોશે સામે જોયું અને તેનું મુખ પ્રકાશતું જોઈને તેમને તેની પાસે જતાં ડર લાગ્યો. પરંતુ મોશેએ તેમને બોલાવ્યા ત્યારે આરોન તથા સમાજના સર્વ આગેવાનો તેની પાસે ગયા અને મોશેએ તેમની સાથે વાત કરી. પછી સર્વ ઇઝરાયલીઓ પણ મોશે પાસે એકઠા થયા. પ્રભુએ સિનાઈ પર્વત પર આપેલા સર્વ નિયમો મોશેએ લોકોને કહી સંભળાવ્યા. મોશેએ તેમની સાથે વાત પૂરી કરી એટલે તેણે વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકી દીધું. મોશે જ્યારે જ્યારે પ્રભુ સાથે વાત કરવા મુલાકાતમંડપમાં જતો ત્યારે તે એ વસ્ત્ર કાઢી નાખતો, પણ તે પાછો બહાર આવતો ત્યારે પ્રભુએ ફરમાવેલી આજ્ઞાઓ ઇઝરાયલીઓને કહી સંભળાવતો. તે વખતે એ લોકો તેનો પ્રકાશતો ચહેરો જોતા. પછી મોશે પ્રભુ સાથે ફરીથી વાત કરવા જાય ત્યાં સુધી તે પોતાનું મુખ ઢાંકી રાખતો. મોશેએ આખા ઇઝરાયલના સમાજને એકત્ર કરીને કહ્યું, “પ્રભુએ તમને આ પ્રમાણે આજ્ઞા આપી છે: છ દિવસ તમારે પરિશ્રમપૂર્વક તમારું કામ કરવું, પરંતુ સાતમો દિવસ મને અર્પાયેલો આરામનો દિવસ છે; તેથી તે દિવસ પવિત્ર પાળવો. તે દિવસે જે કોઈ માણસ કામ કરે તેને મારી નાખવો. સાબ્બાથદિને તમારે રાંધવા માટે તમારા ઘરમાં અગ્નિ પણ સળગાવવો નહિ.” મોશેએ સર્વ ઇઝરાયલીઓને કહ્યું, “પ્રભુએ આ પ્રમાણે આજ્ઞા આપી છે: તમે પ્રભુને માટે અર્પણ લાવો. તમારામાંથી જેમને અર્પણ ચડાવવાની ઇચ્છા હોય તેઓ અર્પણ લાવે; એટલે કે સોનું, ચાંદી, તાંબુ, ઝીણા કાંતેલા અળસી રેસા, વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા, બકરાંના વાળનું કાપડ, ઘેટાંના લાલ રંગેલાં ચામડાં, ઉત્તમ પ્રકારનું મુલાયમ ચામડું, બાવળનાં લાકડાં, દીવાઓ માટે તેલ, અભિષેકના તેલ માટે તથા સુગંધીદાર ધૂપ બનાવવા સુગંધી દ્રવ્યો, પ્રમુખ યજ્ઞકારના પવિત્ર એફોદમાં અને તેના ઉરપત્રમાં જડવા માટે ગોમેદ પાષાણો અને અન્ય રત્નો લાવે. “તમારામાંના સર્વ કુશળ કારીગરો આવીને પ્રભુએ આપેલ આજ્ઞા પ્રમાણે આ સર્વ વસ્તુઓ બનાવે: મંડપ, તેનો તંબુ, તેનું બાહ્ય આચ્છાદાન, તેની કડીઓ, તેનાં પાટિયાં, તેની વળીઓ, તેના સ્તંભો, તેની કૂંભીઓ; કરારપેટી, તેના દાંડા તથા તેની ઉપરનું દયાસન, કરારપેટીને ઢાંકનાર પડદો; મેજ, તેના દાંડા તથા તેનાં સર્વ પાત્રો તથા અર્પિત રોટલી; પ્રકાશ માટેનું દીપવૃક્ષ તથા તેની સાધનસામગ્રી, દીવાઓ અને તેમને માટે તેલ; ધૂપવેદી અને તેના દાંડા, અભિષેક કરવાનું તેલ, સુગંધીદાર ધૂપ; મંડપના પ્રવેશદ્વારનો પડદો; યજ્ઞવેદી, તેની તાંબાની જાળી, તેના દાંડા તથા તેની સર્વ સાધનસમગ્રી; જળકુંડ તથા તેની બેઠક; આંગણાના પડદાઓ, તેમના સ્તંભો તથા તેમની કૂંભીઓ; આંગણાના પ્રવેશદ્વારનો પડદો; મંડપ તથા આંગણા માટેના ખીલા તથા દોરડાં; વળી, પવિત્રસ્થાનમાં યજ્ઞકાર તરીકે સેવા કરતી વખતે આરોન તથા તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો.” સર્વ ઇઝરાયલીઓ મોશે પાસેથી ગયા અને જેમના મનમાં આપવાની ઉત્કંઠા હતી તેઓ સૌ મુલાકાતમંડપ બનાવવા માટે પ્રભુ સમક્ષ અર્પણો લાવ્યા. સેવાકાર્ય તેમ જ યજ્ઞકારોનાં વસ્ત્રો બનાવવા તેઓ સર્વ જરૂરી વસ્તુઓ લાવ્યા. જેટલાં સ્ત્રીપુરુષોના મનમાં આપવાની ઇચ્છા હતી તેઓ સૌ નથણીઓ, વાળીઓ, વીંટીઓ, ગળાના હાર અને સર્વ પ્રકારનાં સોનાનાં ઘરેણાં લાવ્યાં અને તેમણે તે પ્રભુને અર્પણ કર્યાં. જેમની પાસે ઝીણા કાંતેલા અળસી રેસા, વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા, બકરાના વાળનું બનાવેલ કાપડ, ઘેટાંના લાલ રંગેલાં ચામડાં અથવા ઉત્તમ પ્રકારનું મુલાયમ ચામડું હતું તે તેઓ લાવ્યા. જેઓ ચાંદી અને તાંબુ આપી શકે તેવા લોકો પ્રભુ પાસે તેમનું તેવું અર્પણ લાવ્યા. જેઓ પાસે બાવળનાં લાકડાં હતાં તેઓ સૌ કંઈક ને કંઈક કામમાં આવે તે માટે બાવળનાં લાકડાં લાવ્યા. સર્વ કુશળ સ્ત્રીઓ ઝીણા કાંતેલા અળસી રેસાના તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાઓના દોરા કાંતી લાવી. તેઓ બકરાના વાળમાંથી પણ દોરીઓ કાંતી લાવી. આગેવાનો પવિત્ર એફોદ તથા ઉરપત્રમાં જડવા માટે ગોમેદના પથ્થરો અને બીજાં રત્નો લાવ્યા. વળી, તેઓ દીવાઓ માટે, અભિષેકના તેલ માટે તથા સુગંધીદાર ધૂપ માટે સુગંધીદ્રવ્યો અને તેલ લાવ્યા. પ્રભુએ મોશેને સોંપેલું કાર્ય કરવા માટે જેમના મનમાં આપવાની ઇચ્છા હતી તેવા સર્વ ઇઝરાયલીઓ રાજીખુશીથી પોતાનાં અર્પણો પ્રભુ પાસે લાવ્યા. મોશેએ ઇઝરાયલીઓને કહ્યું, “યહૂદાના કુળમાંથી ઉરીના પુત્ર તથા હુરના પૌત્ર બસાલએલને પ્રભુએ પસંદ કર્યો છે. ઈશ્વરે તેને પોતાના સામર્થ્યથી ભરપૂર કર્યો છે અને દરેક પ્રકારની કલાકારીગરી માટે તેને જ્ઞાન, કૌશલ્ય તથા સમજશક્તિ બક્ષ્યાં છે; જેથી તે નિપુણતાથી નમૂનાઓ તૈયાર કરે અને તે પરથી સોના, ચાંદી અને તાંબાનું નકશીકામ કરે અને રત્નો જડવા માટે તેના પહેલ પાડવામાં, લાકડાનું નકશીકામ કરવામાં અને હરેક જાતની કલાકારીગરી કરવામાં તે નિપુણ બને. વળી, પ્રભુએ તેને તથા દાનના કુળમાંથી અહિસામાખના પુત્ર ઓહોલીઆબને આ કલાકારીગરી બીજાઓને શીખવવાની બાહોશી પણ બક્ષી છે, કોતરણીની વિવિધ ભાતો રચવામાં, ભરતકામ કરવામાં, ઝીણાં કાંતેલા અળસી રેસાના તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસાના તથા અન્ય પ્રકારના વસ્ત્રના વણાટકામમાં પ્રભુએ તેમને કૌશલ્ય બક્ષ્યું છે. તેઓ સર્વ પ્રકારનું કાર્ય કરી શકે છે અને વિવિધ ભાતો રચવામાં નિપુણ કલાકારો છે. “બસાલએલ, ઓહોલીઆબ અને અન્ય સર્વ કારીગરો જેમને પ્રભુએ સર્વ વસ્તુઓ બનાવવા કૌશલ્ય અને સમજશક્તિ આપ્યાં છે તેમણે સર્વ વસ્તુઓ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બનાવવી.” બસાલએલ, ઓહોલીઆબ તથા પ્રભુએ જેમને કૌશલ્ય બક્ષ્યું હતું તથા જેઓ મદદ કરવા તૈયાર હતા તેવા સૌને બોલાવીને મોશેએ કાર્ય શરૂ કરવા જણાવ્યું. પવિત્ર મંડપની રચના માટે જે સર્વ અર્પણો ઇઝરાયલીઓ લાવ્યા હતા તે મોશેએ તેમને આપ્યાં. પણ ઇઝરાયલીઓએ તો દર સવારે મોશે પાસે અર્પણો લાવવાનું ચાલુ રાખ્યું. ત્યારે પવિત્ર મંડપનું કામ કરતા સર્વ કુશળ કારીગરોએ મોશે પાસે જઈને કહ્યું, “પ્રભુએ જે કાર્ય કરવાની આજ્ઞા આપી છે તે માટે લોકો રાજીખુશીથી જોઈએ તે કરતાં પણ વધારે વસ્તુઓ લાવ્યા છે.” તેથી મોશેએ આખી છાવણીમાં એવી જાહેરાત કરાવી કે હવે કોઈ વ્યક્તિ પવિત્ર મંડપ માટે અર્પણ લાવે નહિ. તેથી તે પછી લોકો કંઈ લાવ્યા નહિ. કારણ, તેઓ જે સાધનસામગ્રી લાવ્યા હતા તે કામ પૂર્ણ કરવા માટે જોઈએ તે કરતાં વધારે હતી. કારીગરોમાંથી સૌથી નિપુણ કારીગરોએ મુલાકાતમંડપ બનાવ્યો. તેમણે વાદળી, જાંબુડી તથા ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસી રેસાના દસ પડદામાંથી તે મંડપ બનાવ્યો. વળી, પડદા પર નિપુણ કારીગરીથી કરુબોની આકૃતિઓનું ભરતકામ કરેલું હતું. દરેક પડદો એક સરખા માપનો, એટલે કે બાર મીટર લાંબો અને બે મીટર પહોળો હતો. તેમણે પાંચ પડદા એકબીજાની સાથે સીવીને તેનો એક સમૂહ બનાવ્યો અને બીજા પાંચ પડદાને પણ એકબીજા સાથે સીવીને બીજો સમૂહ બનાવ્યો. દરેક સમૂહની બહારની કિનાર પર તેમણે વાદળી રંગના કપડામાંથી નાકાં બનાવ્યાં. તેમણે એકબીજાની સામસામે આવે એ રીતે પ્રથમ સમૂહના પ્રથમ પડદા પર પચાસ નાકાં અને બીજા સમૂહના છેલ્લા પડદા પર પચાસ નાકાં બનાવ્યાં. પછી તેમણે એ બન્‍ને સમૂહોને જોડીને એક સળંગ પડદો બનાવવા સોનાની પચાસ કડીઓ બનાવી. પછી બકરાના વાળમાંથી બનાવેલ અગિયાર પડદામાંથી તેમણે મંડપ માટે આચ્છાદન બનાવ્યું. આ અગિયારેય પડદા એક જ માપના, એટલે 13 મીટર લાંબા અને 2 મીટર પહોળા હતા. તેમણે પાંચ પડદા એક સાથે સીવ્યા અને બાકીના છ પડદા એક સાથે સીવ્યા. પ્રથમ સમૂહના છેલ્લા પડદાની બહારની કિનાર ઉપર તેમણે પચાસ નાકાં બનાવ્યાં અને બીજા સમૂહના પણ છેલ્લા પડદાની કિનાર પર પચાસ નાકાં બનાવ્યાં. તે સમૂહોને જોડી દઈને આખા મંડપનું આચ્છાદન બનાવવા તેમણે તાંબાની પચાસ કડીઓ બનાવી. વળી, તેમણે ઘેટાંના લાલ રંગેલા ચામડાંનું એક અને બહારના આચ્છાદન માટે ઉત્તમ પ્રકારનું મુલાયમ ચામડાનું બીજું એમ બીજાં બે આચ્છાદનો બનાવ્યાં. તેમણે મંડપ માટે બાવળના લાકડાંનાં ઊભાં પાટિયાં બનાવ્યાં. દરેક પાટિયાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 66 સેન્ટીમીટર હતી. વળી, દરેક પાટિયામાં એકબીજાને સમાન્તર અને સરખા માપનાં બે સાલ હતાં. તેમણે દક્ષિણ બાજુ માટે વીસ પાટિયાં અને તેમની નીચે મૂકવા માટે 40 કૂંભીઓ બનાવ્યાં. તેમણે દરેક પાટિયાનાં બે સાલ માટે બે કૂંભીઓ બનાવી હતી. વળી, મંડપની ઉત્તર બાજુ માટે વીસ પાટિયાં તથા દરેક પાટિયાં નીચે બે એમ ચાંદીની કુલ ચાળીસ કૂંભીઓ બનાવી. મંડપની પાછળની બાજુએ એટલે પશ્ર્વિમ બાજુ માટે તેમણે છ પાટિયાં બનાવ્યાં અને ખૂણાને માટે બે પાટિયાં બનાવ્યાં. ખૂણાના પાટિયાં નીચેથી ઉપર સુધી સળંગ જોડાયેલાં અને એક કડામાં બેસાડેલાં હતાં. બન્‍ને ખૂણાનાં પાટિયાં એ જ પ્રમાણે બનાવેલાં હતાં. આમ ચાર ખૂણા માટે આઠ પાટિયાં હતાં અને દરેક પાટિયા નીચે બે એમ ચાંદીની કુલ સોળ કૂંભીઓ હતી. તેમણે બાવળના લાકડાંની 15 વળીઓ બનાવી: મંડપનાં એકબાજુનાં પાટિયાં માટે પાંચ, બીજી બાજુનાં પાટિયાં માટે પાંચ, અને પશ્ર્વિમ બાજુએ મંડપની પાછળનાં પાટિયાં માટે પાંચ વળીઓ બનાવી. તેમણે વચલી વળી પાટિયાંની મધ્યમાં મંડપના એક છેડાથી બીજા છેડા સુધી મૂકી. તેમણે પાટિયાંને સોનાથી મઢી લીધાં અને તેમાં વળીઓ બેસાડવા માટે સોનાનાં કડાં બનાવ્યાં. વળીઓને પણ તેમણે સોનાથી મઢી લીધી. તેમણે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસીરેસાનો પડદો બનાવ્યો અને તેના પર નિપુણ કારીગરીથી કરુબોની આકૃતિઓનું ભરતકામ કર્યું. આ પડદા માટે તેમણે બાવળનાં લાકડાંના ચાર સ્તંભો બનાવ્યા અને તેમને સોનાથી મઢયા. વળી, તેમની કડીઓ સોનાની હતી. આ સ્તંભો માટે તેમણે ચાંદીની ચાર કૂંભીઓ બનાવી. મંડપના પ્રવેશદ્વાર માટે તેમણે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસી રેસાનો પડદો બનાવ્યો અને તેને ભરતકામથી શણગાર્યો. આ પડદા માટે તેમણે પાંચ સ્તંભો બનાવ્યા. એમનાં કડીઓ, ટોચ અને સ્તંભ સોનાથી મઢી લીધાં. આ સ્તંભો માટે તેમણે તાંબાનીની પાંચ કૂંભીઓ બનાવી. બસાલએલે બાવળના લાકડા- માંથી કરારપેટી બનાવી, જે 110 સેન્ટીમીટર લાંબી, 66 સેન્ટીમીટર પહોળી અને 66 સેન્ટીમીટર ઊંચી હતી. તેણે તે કરારપેટી અંદરથી તથા બહારથી સોનાથી મઢી લીધી અને તેની ફરતે સોનાની કિનાર બનાવી. તેને ઊંચકવા માટે તેણે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને દરેક બાજુએ બે કડાં રહે એવી રીતે તેમને ચાર પાયાઓ સાથે જડી દીધાં. કરારપેટી ઊંચકવા માટે તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને તેમને સોનાથી મઢી લીધા અને કરારપેટીની દરેક બાજુ પરનાં કડાંમાંથી પસાર કર્યા. વળી તેણે તેનું ઢાંકણ એટલે દયાસન શુદ્ધ સોનાનું બનાવ્યું. તે 110 સેન્ટીમીટર લાંબું અને 66 સેન્ટીમીટર પહોળું હતું. દયાસનના દરેક છેડા પર એક કરુબ રહે એ રીતે તેણે સોનાના બે નક્કર કરુબો બનાવ્યા. તેણે આખી રચના એવી રીતે બનાવી કે કરુબો અને ઢાંકણ એક સળંગ વસ્તુ બની રહી. *** આ કરુબોનાં મુખ એકબીજાની સામસામાં અને દયાસનના મધ્ય ભાગ તરફ હતાં. તેમની ફેલાવેલી પાંખોથી દયાસન પર આચ્છાદન થતું હતું. તેણે બાવળના લાકડાની મેજ બનાવી; જે 88 સેન્ટીમીટર લાંબી, 44 સેન્ટીમીટર પહોળી અને 66 સેન્ટીમીટર ઊંચી હતી. તેણે તેને શુદ્ધ સોનાથી મઢી લીધી અને તેની આસપાસ શુદ્ધ સોનાની કિનાર બનાવી. વળી, તેની આસપાસ 75 મીલીમીટર પહોળી ધાર બનાવી. તેણે સોનાનાં ચાર કડાં બનાવ્યાં અને ચારે ખૂણે પાયાઓ સાથે જડી દીધાં. મેજ ઊંચકવા માટેના દાંડાને પરોવવાનાં કડાં કિનારની નજીક હતાં. તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને તેમને સોનાથી મઢી લીધાં. વળી, મેજને માટે તેણે સોનાનાં પાત્રો બનાવ્યાં: થાળીઓ, વાટકા, બરણીઓ, દ્રાક્ષાસવના પેયાર્પણમાં વપરાતાં પ્યાલાં એ સર્વ શુદ્ધ સોનાનાં હતાં. તેણે શુદ્ધ સોનાનું દીપવૃક્ષ બનાવ્યું. તેની બેઠક તથા દાંડો નક્કર સોનાનાં હતાં; શોભા માટેનાં તેનાં ફૂલ, કળીઓ અને પાંખડીઓ તેની સાથે સળંગ જોડાયેલાં હતાં. દરેક બાજુએ ત્રણ ત્રણ એ રીતે તેની બન્‍ને બાજુઓએ છ શાખાઓ નીકળેલી હતી. દરેક શાખામાં કળીઓ અને પાંખડીઓ સહિતના બદામના ફૂલના આકારનાં શોભાનાં ત્રણ ફૂલ હતાં. આ પ્રમાણે છ શાખાઓ પર ફૂલ હતાં. દીપવૃક્ષના મુખ્ય દાંડા પર કળીઓ તથા પાંખડીઓ સહિતનાં બદામના ફૂલના આકારનાં શોભાના ચાર ફૂલ હતાં. શાખાઓની ત્રણેય જોડ નીચે એક એક કળી હતી. કળીઓ, શાખાઓ અને દીપવૃક્ષ નક્કર સોનાની એક સળંગ કૃતિ હતી. તેણે દીપવૃક્ષ માટે સાત દીવાઓ, ચીપિયા તથા તાસકો બનાવ્યાં. દીપવૃક્ષ તથા તેની સર્વ સાધનસામગ્રી બનાવવા માટે તેણે 35 કિલોગ્રામ શુદ્ધ સોનું વાપર્યું. તેણે ધૂપ સળગાવવા માટે બાવળના લાકડાની વેદી બનાવી. તે વેદી ચોરસ હતી. તેની લંબાઈ 45 સેન્ટીમીટર, પહોળાઈ 45 સેન્ટીમીટર અને ઊંચાઈ 90 સેન્ટીમીટર હતી. તેના ચાર ખૂણાઓ પરનાં શિંગ વેદી સાથે એવાં એકરૂપ બનાવ્યાં હતાં કે જેથી તે આખી સળંગ વસ્તુ બની રહી. તેણે તેનો ઉપરનો ભાગ, ચારે બાજુઓ તથા તેનાં શિંગ શુદ્ધ સોનાથી મઢી લીધાં અને તેની આસપાસ સોનાની કિનાર બનાવી. તેણે તેને ઊંચકવા માટે સોનાનાં કડાં બનાવ્યાં અને કિનારીની નીચે બન્‍ને બાજુઓ પર જોડયાં; જેથી તેમાં દાંડા નાખીને વેદીને ઊંચકીને લઈ જઈ શકાય. તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યા અને તેમને સોનાથી મઢી લીધા. તેણે અભિષેક કરવા માટેનું પવિત્ર તેલ તથા ખુશબોદાર સુગંધીઓનો ધૂપ તૈયાર કર્યો; એ તો મેળવણી કરીને બનાવેલ અત્તરના જેવાં ખુશ્બોદાર હતાં. હોમબલિ ચડાવવા માટે તેણે બાવળના લાકડાની વેદી બનાવી. તે વેદી સમચોરસ હતી; તેની લંબાઈ 2.2.મીટર, પહોળાઈ 2.2 મીટર અને ઊંચાઈ 1.3 મીટર હતી. તેણે ચાર ખૂણા પર વેદી સાથે એકરૂપ હોય એવાં શિંગ બનાવ્યાં. તેણે તેને તાંબાથી મઢી. વળી તેણે વેદી માટેનાં સાધનો, એટલે, ભસ્મપાત્રો, પાવડીઓ, કટોરા, ચીપિયા, અને અંગારપાત્રો બનાવ્યાં. આ સર્વ સાધનો તાંબાના બનાવેલાં હતાં. તેણે તાંબાની જાળી બનાવીને તેને વેદીની ધારની નીચે એવી રીતે મૂકી કે જેથી તે વેદીના મધ્યભાગ સુધી પહોંચે. તેણે તાંબાનાં ચાર કડાં બનાવ્યાં અને તેમને ચાર ખૂણા પર જડયાં. તેણે બાવળના લાકડામાંથી તેને ઊંચકવા માટેના દાંડા બનાવ્યા અને તેમને તાંબાથી મઢી લીધા. તેણે તેમને વેદીની દરેક બાજુના કડાંમાં પરોવ્યાં. વેદી પાટિયાંની બનાવેલી અને પોલાણવાળી હતી. મુલાકાતમંડપના દ્વાર પાસે સેવા કરનાર સ્ત્રીઓના અરીસામાંથી તેણે તાંબાનો જળકુંડ અને તેની તાંબાની બેઠક બનાવ્યાં. તેણે ઝીણા કાંતેલા અળસીરેસાના પડદામાંથી મુલાકાતમંડપનું આંગણું બનાવ્યું. દક્ષિણ બાજુના પડદા 44 મીટર લાંબા હતા અને તાંબાના વીસ સ્તંભો પર લટકાવેલા હતા. આ સ્તંભો માટે તાંબાની વીસ કૂંભીઓ હતી, અને તેમની કડીઓ અને સળિયા ચાંદીનાં બનાવેલાં હતાં. ઉત્તર બાજુએ પણ આંગણું એવું જ હતું. પશ્ર્વિમ બાજુએ પડદા 22 મીટર લાંબા હતા. તેને માટે દસ સ્તંભો અને દસ કૂંભીઓ હતાં અને તેમની કળીઓ અને સળિયા ચાંદીનાં બનાવેલાં હતાં. પૂર્વ બાજુએ જ્યાં પ્રવેશદ્વાર હતું ત્યાં પણ આંગણું 22 મીટર પહોળું હતું. પ્રવેશદ્વારની દરેક બાજુએ 6.6 મીટરના પડદા હતા અને તેને માટે ત્રણ સ્તંભો અને ત્રણ કૂંભીઓ હતાં. *** આંગણાની આસપાસના સર્વ પડદા ઝીણા કાંતેલા અળસી રેસામાંથી બનાવેલા હતા. સ્તંભો માટેની કૂંભીઓ તાંબાની બનાવેલી હતી અને કડીઓ, સળિયાઓ અને સ્તંભોની ટોચ ચાંદીના બનાવેલાં હતાં. વળી, આંગણાની આસપાસ આવેલા બધા સ્તંભો ચાંદીના સળિયા વડે જોડેલા હતા. આંગણાના પ્રવેશદ્વાર માટેનો પડદો વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસી રેસાનો બનાવેલો હતો અને તેના પર કુશળ કારીગરીનું ભરતકામ કરેલું હતું. આંગણાના પડદાની જેમ આ પડદો પણ 9 મીટર લાંબો અને 2 મીટર ઊંચો હતો. તેને માટે ચાર સ્તંભો અને તાંબાની ચાર કૂંભીઓ હતાં. તેમની ચાર કડીઓ, ટોચ તથા સળિયાઓ ચાંદીનાં બનાવેલાં હતાં. મંડપ તેમજ આસપાસના આંગણા માટેના સર્વ ખીલા તાંબાના બનાવેલા હતા. સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ જ્યાં રાખવામાં આવી હતી તે મુલાકાતમંડપમાં વપરાયેલ ધાતુઓના પ્રમાણની આ નોંધ છે. એ તૈયાર કરવા માટે મોશેએ આજ્ઞા આપી હતી. આરોન યજ્ઞકારના પુત્ર ઈથામારની દોરવણી નીચે લેવી પુત્રોએ આ નોંધ તૈયાર કરી હતી. યહૂદાના કુળના ઉરીના પુત્ર તથા હુરના પૌત્ર બસાલએલે પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે સઘળું બનાવ્યું. દાનના કુળના અહિસામાખનો પુત્ર ઓહોલીઆબ તેનો મદદગાર હતો. તે શિલ્પી, બાહોશ કલાકાર અને બારીક અળસી રેસા તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાનું ભરતગૂંથણ કરનાર હતો. પવિત્રસ્થાન માટે પ્રભુને અર્પવામાં આવેલા સઘળા સોનાનું વજન પવિત્રસ્થાનના શેકેલના તોલમાપની ગણતરી મુજબ 1,000 કિલોગ્રામ હતું. ઇઝરાયલી સમાજમાંથી જેમની ગણતરી થઈ તેમની પાસેથી પવિત્રસ્થાનના શેકલના તોલમાપની ગણતરી મુજબ 3,440 કિલોગ્રામ ચાંદી મળી. એ બધી ચાંદી જેમની ગણતરી થઈ એવા વીસ વરસ કે તેથી વધુ ઉંમરના 6,03,550 પુરુષો પાસેથી મળી હતી. પ્રત્યેક પુરુષે એક બેકા એટલે પવિત્રસ્થાનના તોલમાપના ધોરણ મુજબનો અર્ધો શેકલ અર્થાત્ 5.7 ગ્રામ ચાંદી આપી હતી. એમાંથી દરેક કૂંભી માટે 34 કિલોગ્રામ લેખે પવિત્ર મંડપ અને પડદાઓની સો કૂંભીઓ બનાવવામાં 3,400 કિલોગ્રામ ચાંદી વપરાઈ હતી. બાકીની ચાંદીમાંથી બસાલએલે સ્તંભો માટેના સળિયા, કડીઓ અને તેમની ટોચ બનાવ્યાં. પ્રભુને અર્પણ કરવામાં આવેલ તાંબાનું કુલ વજન 2,425 કિલોગ્રામ હતું. તેનાથી બસાલએલે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર માટે કૂંભીઓ, તાંબાની વેદી તથા તેની જાળી તથા તેની સઘળી સાધનસામગ્રી, આંગણાની ચારે તરફની તથા આંગણાના પ્રવેશદ્વારની કૂંભીઓ અને મંડપ તથા આંગણાની ચારે તરફના બધા ખીલા બનાવ્યા. પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યજ્ઞકારોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો તેમણે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી બનાવ્યાં. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે આરોન યજ્ઞકાર માટે પણ પવિત્ર વસ્ત્રો બનાવ્યાં. ઝીણા કાંતેલા અળસી રેસા, વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા તથા સોનાના તાર વણીને તેમણે એફોદ બનાવ્યો. ઝીણા કાંતેલા અળસી રેસા સાથે તેમજ વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા સાથે વણી શકાય તે માટે તેમણે સોનાનાં પાતળાં પતરાં ઘડીને તેમાંથી સોનાના તાર બનાવ્યા. તેમણે એફોદને જોડવા માટે ખભા પર બે પટ્ટા બનાવ્યા અને તેમને બાંધી શકાય તે માટે તેની બાજુઓ પર બેસાડયા. તેમણે તે જ વસ્તુઓમાંથી ગૂંથેલો પટ્ટો બનાવ્યો અને તેને પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે એવી રીતે જોડયો કે તે એફોદ સાથે એકરૂપ થઈ જાય. તેમણે ગોમેદ પાષાણો તૈયાર કરીને તેમને સોનાના ચોકઠામાં બેસાડયા. આ પથ્થરો પર મુદ્રાકામ કરનાર ઝવેરીના જેવા કૌશલથી યાકોબના બાર પુત્રોનાં નામ કોતરવામાં આવ્યાં હતાં. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલના બાર કુળોના સ્મારક તરીકે તેમણે એ પથ્થરોને એફોદના ખભા પરના પટ્ટાઓમાં જોડી દીધા. જેમાંથી એફોદ બનાવવામાં આવ્યો હતો તે જ જાતના કાપડમાંથી તેમણે ઉરપત્ર બનાવ્યું; ઉરપત્રનું ભરતકામ પણ એફોદના જેવું જ હતું. તે ચોરસ અને બેવડું વાળેલું હતું. તેની લંબાઈ 22 સેન્ટીમીટર અને પહોળાઈ પણ 22 સેન્ટીમીટર હતી. તેમાં તેમણે કિંમતી પથ્થરોની ચાર હાર જડી: પ્રથમ હારમાં માણેક, પોખરાજ, લાલ; બીજી હારમાં લીલમ, નીલમ અને હીરો; ત્રીજી હારમાં શનિ, અકીક અને યાકૂત; અને ચોથી હારમાં પિરોજ, ગોમેદ અને યાસપિસ. એ સર્વ સોનાના ચોકઠામાં જડવામાં આવ્યા. દરેક પથ્થર પર યાકોબના એકએક પુત્રનું નામ કોતરવામાં આવ્યું. જેથી તે ઇઝરાયલના બાર કુળોનું સ્મારક બને. તેમણે ઉરપત્ર માટે વણેલી દોરી જેવી સોનાની બે સાંકળીઓ બનાવી. તેમણે સોનાનાં બે ચોકઠાં અને બે કડીઓ બનાવી. બે કડીઓને ઉરપત્રના ઉપરના બે છેડા પર જડી. તેમણે બે સાંકળીઓ ઉરપત્રના ઉપરના છેડા પરની કડીઓમાં લગાડી. સોનાની સાંકળીઓના બીજા બે છેડાને ચોકઠામાં જડીને તેને એફોદના આગળના ભાગમાં તેના ખભા પરના પટ્ટાઓ પર લગાડી. તેમણે સોનાની બે કડીઓ બનાવીને ઉરપત્રના નીચેના છેડે અંદરના ભાગમાં લગાડી. તેમણે સોનાની બીજી બે કડીઓ બનાવીને એફોદના ખભા પરના પટ્ટાઓના નીચલા ભાગમાં આગળની બાજુએ સાંધાની નજીક પણ નિપુણ કારીગરીથી ગૂંથેલા પટ્ટાની ઉપરની બાજુએ લગાડેલી હતી. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે ઉરપત્રની કડીઓને વાદળી દોરી વડે એફોદની કડીઓ સાથે બાંધી; જેથી ઉરપત્ર પટ્ટાની ઉપર જ રહે અને છૂટું પડી જાય નહિ. એફોદની નીચે પહેરવાનો આખો ઝભ્ભો વાદળી રંગના વસ્ત્રમાંથી બનાવેલો હતો. ઝભ્ભાના ગળાનો ભાગ ફાટી જાય નહિ તે માટે તેને ઓટી લીધો હતો. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે ઝભ્ભાની નીચલી કોરની ફરતે ઝીણા કાંતેલા અળસી રેસાના તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાના દાડમ બનાવીને લગાડયાં. વળી, શુદ્ધ સોનાની ધૂઘરી બનાવીને એક દાડમ, એક ધૂઘરી એમ દાડમની વચ્ચે વચ્ચે ધૂઘરીઓ લગાડી. *** *** તેમણે આરોન તથા તેના પુત્રો માટે અળસીના ઝીણા કાંતેલા રેસામાંથી સફેદ ડગલા, પાઘડીઓ, ફાળિયાં, જાંધિયા બનાવ્યા. અને ઝીણા કાંતેલા અળસીરેસાનો તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાનો ગૂંથેલો કમરપટ્ટો બનાવ્યો. તેમણે એ બધું પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું. તેમણે અર્પણના પવિત્ર ચિહ્નરૂપે શુદ્ધ સોનાનું પત્ર બનાવ્યું. તેમણે તેના પર આ શબ્દો કોતર્યા: ‘યાહવેને સમર્પિત’ તેમણે તેને પાઘડીની આગળની બાજુએ વાદળી રંગની દોરીથી બાંધ્યું. તેમણે એ બધું પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું. મુલાકાતમંડપનું સઘળું કાર્ય છેવટે પૂર્ણ થયું. પ્રભુએ મોશેને આપેલ આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ સર્વ વસ્તુઓ બનાવી. તેઓ મોશે પાસે મંડપ અને તેની સર્વ સાધનસામગ્રી લાવ્યા; એટલે, તેની કડીઓ, તેનાં પાટિયાં, તેની વળીઓ, તેના સ્તંભો, કૂંભીઓ; ઘેટાના લાલ રંગેલા ચામડાનું આચ્છાદન, ઉત્તમ પ્રકારના મુલાયમ ચામડાનું આચ્છાદન, આડશ માટેનો પડદો; સાક્ષ્યલેખની કરારપેટી, તેના દાંડા, તેનું ઢાંકણ અર્થાત્ દયાસન; મેજ તથા તેનાં સર્વ પાત્રો અને ઈશ્વરને અર્પવાની રોટલી; શુદ્ધ સોનાનું દીપવૃક્ષ, તેના દીવાઓ, તેનાં સર્વ સાધનો અને દીવાઓ માટે તેલ; સોનાની વેદી; અભિષેક કરવા માટેનું તેલ, સુગંધીદાર ધૂપ; મંડપના પ્રવેશદ્વાર માટેનો પડદો; તાંબાની વેદી, તેની તાંબાની જાળી, તેના દાંડાઓ અને તેનાં સર્વ સાધનો; જળકુંડ અને તેની બેઠક; આંગણા માટેના પડદા, તેના સ્તંભો અને કૂંભીઓ; આંગણાના પ્રવેશદ્વાર માટેનો પડદો અને તેનાં દોરડાં; મંડપ માટેના ખીલા, મુલાકાતમંડપમાં વપરાતાં સર્વ સાધનો. અને પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યજ્ઞકારોએ પહેરવાનાં ભવ્ય વસ્ત્રો; એટલે, આરોન યજ્ઞકાર અને તેના પુત્રો માટેનાં પવિત્ર વસ્ત્રો. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ એ બધું કામ કર્યું હતું. મોશેએ સર્વ વસ્તુઓ તપાસી જોઈ અને તેણે જોયું કે તેમણે સઘળું પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું હતું. તેથી મોશેએ તેમને આશિષ આપી. પ્રભુએ મોશેને કહ્યું, પ્રથમ માસના પ્રથમ દિવસે મુલાકાતમંડપ ઊભો કરજે. તે મંડપમાં સાક્ષ્યલેખ રાખેલી કરારપેટી મૂકજે અને તેને પડદાથી ઢાંકી દેજે. મેજ લાવીને તેના પર તેનાં સર્વ સાધનો ગોઠવજે. વળી, દીપવૃક્ષ લાવીને તેના પર દીવા મૂકજે. સોનાની ધૂપવેદીને તું સાક્ષ્યલેખ રાખેલી કરારપેટી આગળ મૂકજે, અને મંડપના પ્રવેશદ્વાર આગળ પડદો લટકાવજે. મંડપની આગળ બલિદાન માટે યજ્ઞવેદી મૂકજે. મંડપ તથા યજ્ઞવેદીની વચમાં જળકુંડ મૂકજે અને તેને પાણીથી ભરજે. પછી આસપાસનું આંગણું તૈયાર કરીને તેના પ્રવેશદ્વાર પર પડદો લટકાવજે. “પછી તમે મંડપનું તેનાં સર્વ સાધનો સહિત સમર્પણ કરજો. પવિત્ર તેલ વડે તેનો અભિષેક કરીને તેનું સમર્પણ કરજો એટલે તે પવિત્ર થશે. પછી વેદીનો તથા તેનાં સર્વ સાધનોનો અભિષેક કરીને તેમનું સમર્પણ કરજો, એટલે તે સંપૂર્ણ પવિત્ર થશે. તે જ રીતે જળકુંડ અને તેની બેઠકનું પણ સમર્પણ કરજો. “આરોન અને તેના પુત્રોને મંડપના પ્રવેશદ્વાર આગળ લાવીને તેમને વિધિગત રીતે સ્નાન કરવા જણાવ. યજ્ઞકારનાં વસ્ત્રો પહેરાવીને આરોનનો અભિષેક કર અને એ રીતે તેનું સમર્પણ કર; જેથી તે યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવે. તેના પુત્રોને લાવીને તેમના ડગલા પહેરાવ. પછી જેવી રીતે તેમના પિતાનો અભિષેક કર્યો તે જ રીતે તેમનો પણ અભિષેક કર; જેથી તેઓ યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવે. આ અભિષેક દ્વારા તેઓ અને તેમના વંશજોને પેઢી દરપેઢી કાયમી ધોરણનું યજ્ઞકારપદ પ્રાપ્ત થશે.” મોશેએ સઘળું પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું. તેથી તેમના ઇજિપ્તમાંથી નીકળ્યાના બીજા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે મુલાકાતમંડપની સ્થાપના કરવામાં આવી. મોશેએ મંડપની કૂંભીઓ બેસાડી, તેનાં પાટિયાં ઊભાં કર્યાં, તેની વળીઓ બેસાડી અને તેના સ્તંભો ઊભા કર્યા. પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે મંડપ પર આચ્છાદન લગાડયું અને તેના પર બહારનું આચ્છાદન ઢાંકયું. પછી તેણે સાક્ષ્યલેખની બન્‍ને શિલાપાટીઓ લઈને કરારપેટીમાં મૂકી. તેના દાંડાઓ તેના કડાંઓમાં પરોવ્યા અને કરારપેટી પર તેનું ઢાંકણ ઢાંકયું. પછી તેણે સાક્ષ્યલેખની કરારપેટી મંડપમાં મૂકી અને તેના પર આડશનો પડદો ઢાંકયો. તેણે એ બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. તેણે મંડપની અંદર આડશના પડદાની બહાર ઉત્તર દિશામાં મેજ મૂકી. અને તેના પર અર્પિત રોટલી મૂકી. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. તેણે મંડપની અંદર દક્ષિણ દિશામાં મેજની સામેની બાજુએ દીપવૃક્ષ મૂકયું. અને પ્રભુની સમક્ષ તેણે દીવા સળગાવ્યાં. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. તેણે મંડપની અંદર પડદાની આગળ સોનાની ધૂપવેદી મૂકી અને સુગંધીદાર ધૂપ સળગાવ્યો. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. તેણે મંડપના પ્રવેશદ્વાર આગળ પડદો લટકાવ્યો. અને તે પડદાની આગળ બલિદાન ચડાવવાની યજ્ઞવેદી મૂકી. તે વેદી પર તેણે દહનબલિ અને ધાન્ય-અર્પણો ચડાવ્યાં. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું. તેણે મંડપ અને વેદીની વચ્ચે જળકુંડ મૂકયો અને તેને પાણીથી ભર્યો. મોશે, આરોન અને આરોનના પુત્રો જ્યારે જ્યારે મંડપમાં અથવા વેદી પાસે જતા ત્યારે તે જળકુંડમાં પોતાના હાથપગ ધોતા. તેમણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું. *** મોશેએ મંડપની આસપાસ આંગણું બનાવ્યું અને તેમાં વેદી મૂકી તથા આંગણાના પ્રવેશદ્વાર પર પડદો લટકાવ્યો. એમ તેણે બધું કામ પૂર્ણ કર્યું. પછી વાદળે આવીને મંડપને ઢાંકી દીધો અને પ્રભુની હાજરીના ગૌરવથી મંડપ ભરાઈ ગયો. એને લીધે મોશે મંડપમાં જઈ શકાયો નહિ. જ્યારે મંડપ પરથી વાદળ ખસી જતું ત્યારે જ ઇઝરાયલીઓ પોતાની છાવણી બીજે સ્થળે લઈ જતા. જ્યાં સુધી મંડપ પર વાદળ રહેતું ત્યાં સુધી તેઓ પોતાની છાવણી તે સ્થળેથી ખસેડતા નહિ. પોતાના સમગ્ર પ્રવાસ દરમ્યાન સર્વ ઇઝરાયલીઓ પ્રભુના વાદળને મુલાકાતમંડપ પર દિવસ દરમ્યાન સ્થિર રહેતું અને રાત્રે તેમાં અગ્નિ સળગતો જોઈ શક્તા. પ્રભુએ મોશેને બોલાવીને મુલાકાત મંડપમાંથી કહ્યું: “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: જ્યારે તમારામાંથી કોઈ માણસ પ્રભુને અર્પણ ચડાવે તો તે ઢોર અથવા ઘેટાંબકરાંનું હોય. જો તે ઢોરનો બલિ ચડાવે તો તે કોઈપણ જાતની ખોડખાંપણ વગરનો આખલો હોવો જોઈએ. તેણે તેને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર પાસે લાવવો અને તેનો બલિ ચડાવવો, જેથી પ્રભુ તેનો સ્વીકાર કરે. માણસે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકવો એટલે તેનાં પાપ દૂર કરવાને માટે તેનો સ્વીકાર કરવામાં આવશે. તેણે પ્રભુ સમક્ષ આખલાને કાપવો અને આરોનવંશી લેવીએ તેનું રક્ત પ્રભુને ચડાવી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે આવેલી વેદીની ચારે બાજુએ છાંટવું. પછી તેણે પ્રાણીનું ચામડું ઉતારી લેવું અને પ્રાણીના કાપીને ટુકડા કરવા. પછી યજ્ઞકારોએ વેદી ઉપર લાકડાં સીંચીને અગ્નિ પેટાવવો. પછી તેમણે પ્રાણીના ટુકડા, તેનું માથું અને ચરબી વેદી પરના અગ્નિમાં મૂકવા. તે માણસે પ્રાણીનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે વેદી પર બલિનું સંપૂર્ણ દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. “જ્યારે કોઈ માણસ ઘેટું કે બકરું દહનબલિ તરીકે ચડાવે તો તે ખોડખાંપણ વગરનો નર હોવો જોઈએ. એ માણસે તેને પ્રભુ સમક્ષ વેદીની ઉત્તર બાજુએ કાપવો અને આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું. પછી પેલા માણસે બલિના ટુકડા કરવા અને યજ્ઞકારોએ તે ટુકડા, માથું અને ચરબી એ બધું જ વેદી ઉપર સળગતાં લાકડાં પર મૂકવું. પછી તે માણસે બલિનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે એ બધાંનું વેદી ઉપર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. “જ્યારે કોઈ માણસ પક્ષીનું દહનબલિ ચડાવે તો તે હોલા કે કબૂતરનાં બચ્ચાનું હોય. યજ્ઞકારે તેને વેદી સમક્ષ ચડાવવું. તેણે તેની ડોક મરડી નાખવી અને તેના માથાનું વેદી પર દહન કરવું. તેનું રક્ત વેદીની બાજુએ વહી જવા દેવું. તેણે તેની હોજરી મેલ સાથે કાઢી લઈને વેદીની પૂર્વ બાજુએ જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં ફેંકી દેવી. પછી યજ્ઞકારે તેને બે પાંખો વચ્ચેથી ચીરવું, પણ તેના બે ભાગ પડવા દેવા નહિ. પછી એ બધાંનું યજ્ઞવેદી પર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. “જ્યારે કોઈ માણસ પ્રભુને ધાન્ય અર્પણ ચડાવે તો તે ઝીણા લોટનું હોવું જોઈએ. તેણે તેના પર ઓલિવ તેલ રેડવું અને લોબાન મૂકવો. પછી તે અર્પણ આરોનવંશી યજ્ઞકાર સમક્ષ લાવવું. યજ્ઞકારે તેમાંથી મૂઠીભર લોટ, તેલ અને બધો લોબાન લઈને તેમનું પ્રતીકરૂપે યજ્ઞવેદી પર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. ધાન્ય અર્પણનો બાકીનો ભાગ યજ્ઞકારને મળે. તે અતિ પવિત્ર છે; કારણ, પ્રભુને ચડાવેલા ધાન્ય અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે. “જો ધાન્ય અર્પણ ભઠ્ઠીમાં પકાવેલી રોટલીનું હોય તો તેમાં ખમીર નાખવું નહિ. એ લોટમાં ઓલિવ તેલ મિશ્ર કરી બનાવેલી ભાખરી હોય કે તેલ ચોપડેલા ખાખરા હોય. “જો તમે તવા પર શેકેલી વસ્તુ ધાન્ય અર્પણ તરીકે ચડાવો તો તેમાં ખમીર નાખવું નહિ. લોટમાં ઓલિવ તેલ મિશ્ર કરી એ વાનગી બનાવવી. તમારે તેના ટુકડા કરી તે પર તેલ રેડવું અને પછી તેને ધાન્ય અર્પણ તરીકે ચડાવવું. “જો તમે કઢાઈમાં તળેલું ધાન્ય અર્પણ લાવો તો તે લોટમાં ઓલિવ તેલ મિશ્ર કરી બનાવવું. પછી તે અર્પણ પ્રભુ સમક્ષ લાવી યજ્ઞકારને વેદી પર લઈ જવા આપવું. યજ્ઞકારે તેમાંથી પ્રતીકરૂપે થોડું લઈ તેનું ધાન્ય અર્પણ તરીકે વેદી ઉપર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. ધાન્યઅર્પણનો બાકીનો ભાગ યજ્ઞકારને મળે. તે અતિ પવિત્ર છે; કારણ, પ્રભુને ચડાવેલા ધાન્ય અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે. “પ્રભુને ચડાવવાનાં કોઈપણ ધાન્ય અર્પણમાં ખમીર વાપરવું નહિ. પ્રભુને ધાન્ય અર્પણ ચડાવતી વખતે ખમીર કે મધ કદી વાપરવું નહિ. તમે પાકના પ્રથમ ફળ તરીકે એ ચડાવી શકો, પણ સુવાસને માટે તેનું વેદી પર દહન કરી શકો નહિ. તમારે દરેક ધાન્યઅર્પણમાં મીઠું વાપરવું; કારણ, મીઠું તમારી અને ઈશ્વર વચ્ચેના કરારના પ્રતીકરૂપ છે. તમારે તમારા પ્રત્યેક અર્પણમાં મીઠું ઉમેરવું. જો તમે પાકના પ્રથમ ફળનું ધાન્ય અર્પણ ચડાવો તો તે પોંકરૂપે કે લોટરૂપે ચડાવવું. તેમાં તમારે ઓલિવ તેલ નાખવું અને તે પર લોબાન મૂકવો. તે ધાન્ય અર્પણ છે. યજ્ઞકાર પ્રતીકરૂપે તેમાંથી થોડો લોટ અને તેલ તથા બધો લોબાન લઈને પ્રભુને ધાન્યઅર્પણ તરીકે તેનું દહન કરે. “જ્યારે કોઈ માણસ પ્રભુને સંગતબલિ ચડાવે અને તે બલિ નર કે માદા હોય તો પણ તે પ્રાણી કોઈ પણ જાતની ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. તેણે તે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકવો અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તેને કાપવું. ત્યાર પછી આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું. પછી તે પ્રાણીના આટલા ભાગ પ્રભુને અગ્નિ બલિ તરીકે ચડાવવા: આંતરડા ઉપરની ચરબી અને તેની આજુબાજુની બધી ચરબી; બન્‍ને મૂત્રપિંડો અને તેની આજુબાજુની બધી ચરબી તથા કલેજા પરની ચરબી. યજ્ઞકારોએ આ બધાંનું વેદી પરના અગ્નિમાં દહનબલિ તરીકે દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. “જ્યારે કોઈ માણસ સંગતબલિ તરીકે ઘેટાંનું કે બકરાનું અર્પણ ચડાવે તો તે નર કે માદા હોય તો પણ તે પ્રાણી ખોડખાંપણ વગરનું હોવું જોઈએ. જો કોઈ ઘેટાંનું અર્પણ ચડાવે તો તેણે તેના માથા પર પોતાનો હાથ મૂકવો અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તેને કાપવું. ત્યાર પછી આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું. આ સંગતબલિમાંથી આટલા ભાગ તેણે પ્રભુને અગ્નિબલિ તરીકે ચડાવવા: બધી ચરબી, કરોડનાં હાડકાં પાસેથી કાપી લીધેલી પૂંછડી સુધીની બધી ચરબી; આંતરડાંની ઉપરની અને તેની આજુબાજુની બધી ચરબી; બન્‍ને મૂત્રપિંડો અને તેમના ઉપરની બધી ચરબી તથા કલેજાનો ચરબીયુક્ત ભાગ. યજ્ઞકારે પ્રભુને અગ્નિબલિ તરીકે આ બધાનું વેદી પર દહન કરવું. “જ્યારે કોઈ માણસ બકરાનું અર્પણ ચડાવે, તો તેણે પ્રભુ સમક્ષ તેના માથા ઉપર પોતાનો હાથ મૂકી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તેને કાપવો. ત્યાર પછી આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત યજ્ઞવેદીની ચારે બાજુએ છાંટવું. પછી યજ્ઞકારે આટલા ભાગો પ્રભુને અગ્નિબલિ તરીકે ચડાવવા: આંતરડા ઉપરની અને તેની આજુબાજુની બધી ચરબી; બન્‍ને મૂત્રપિંડો અને તેમના ઉપરની બધી ચરબી તથા કલેજાનો ચરબીયુક્ત ભાગ. યજ્ઞકારે પ્રભુને અગ્નિબલિ તરીકે આ બધાનું વેદી પર દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. બધી જ ચરબી પ્રભુની ગણવાની છે. તમે ગમે ત્યાં વસતા હો, તમારી બધી જ પેઢીઓ માટે આ કાયમનો નિયત વિધિ છે: કોઈ ઇઝરાયલીએ કદી ચરબી કે રક્ત ખાવાનાં નથી.” પ્રભુએ મોશેને આજ્ઞા આપી: “તું ઇઝરાયલીઓને કહે: જો કોઈ માણસ અજાણતાં પ્રભુની આજ્ઞા તોડી પાપમાં પડે તો તેણે નીચેના નિયમોનું પાલન કરવું. “જો પ્રમુખ યજ્ઞકાર પાપ કરે અને લોકો પર દોષ લાવે તો તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે ખોડખાંપણ વગરનો આખલો પ્રભુને ચડાવવો. તે તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લાવે, પોતાનો હાથ તેના માથા ઉપર મૂકે અને પ્રભુની સમક્ષ તે કાપે. ત્યાર પછી પ્રમુખ યજ્ઞકાર તેમાંથી થોડુંક રક્ત લઈ મુલાકાતમંડપમાં જાય. તેણે લોહીમાં આંગળી બોળી પવિત્રસ્થાનના પડદાની સામે સાતવાર છાંટવું. ત્યાર પછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાવવું અને બાકીનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું. પ્રાયશ્ર્વિતબલિના આખલાની બધી ચરબી તેણે અલગ કાઢી લેવી, એટલે આંતરડાં ઉપરની અને તેની આજુબાજુની બધી ચરબી. બન્‍ને મૂત્રપિંડો અને તેમના ઉપરની બધી ચરબી અને કલેજાનો ચરબીયુક્ત ભાગ કાઢી લેવો. ત્યાર પછી યજ્ઞકારે સંગતબલિમાં ચડાવેલા પ્રાણીની ચરબીની જેમ જ એ બધી ચરબીનું આહુતિની યજ્ઞવેદી પર દહન કરવું. પણ તેણે તે આખલાનું ચામડું, તેનું બધું માંસ, માથું, પગ, આંતરડાં અને છાણ એ બધું છાવણીની બહાર જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં સ્વચ્છ જગ્યાએ લઈ જવું અને લાકડાં સળગાવી બાળી મૂકવું. “જો ઇઝરાયલનો સમગ્ર સમાજ અજાણતાં પાપ કરે અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે, તો તેની જાણ થતાં જ સમાજે પ્રાયશ્ર્વિતબલિ તરીકે ખોડખાંપણ વગરનો યુવાન આખલો ચડાવવો. તે આખલાને મુલાકાતમંડપની આગળ લાવવો. સમાજના આગેવાનોએ તેના માથા ઉપર પોતાનો હાથ મૂકવો અને પ્રભુ સમક્ષ તેને કાપવો. ત્યારપછી પ્રમુખ યજ્ઞકારે તેનું થોડું રક્ત મુલાકાતમંડપમાં લઈ જવું. તેણે તે રક્તમાં આંગળી બોળી પ્રભુ સમક્ષ પડદા ઉપર સાતવાર છાંટવું. ત્યારપછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાડવું અને બાકીનું બધું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું. ત્યારપછી તેણે પ્રાયશ્ર્વિતબલિના આખલાની બધી ચરબી જુદી કાઢી લઇ વેદી પર તેનું દહન કરવું. તેણે પ્રાયશ્ર્વિતના આખલાની માફક જ એ આખલાનું પણ કરવું અને એ રીતે યજ્ઞકાર લોકોનાં પાપને માટે પ્રાયશ્ર્વિત કરશે, એટલે તે તેમને માફ કરવામાં આવશે. ત્યાર પછી પોતાનાં પાપને માટે ચડાવેલા આખલાનું યજ્ઞકારે જેમ કર્યું હતું તેમ તેણે આ આખલાને પણ છાવણી બહાર લઈ જઇ બાળી મૂકવો. સમાજનાં પાપ દૂર કરવાને માટેનો આ પ્રાયશ્ર્વિતબલિ છે. “જો કોઈ આગેવાન અજાણતાં પાપ કરે અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે, તો તેની તેને જાણ થતાં જ તેણે ખોડખાંપણ વગરનો બકરો લાવવો. બકરાના માથા પર તેણે પોતાનો હાથ મૂકવો અને પ્રભુ સમક્ષ યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં તેને કાપવો. પાપ દૂર કરવા માટેનો આ પ્રાયશ્ર્વિતબલિ છે. ત્યાર પછી યજ્ઞકાર પ્રાયશ્ર્વિતબલિના રક્તમાં પોતાની આંગળી બોળે અને યજ્ઞવેદીના શિંગ પર તે લગાવે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે. ત્યાર પછી સંગતબલિની જેમ જ એની બધી ચરબીનું યજ્ઞવેદી પર દહન કરે. આ રીતે યજ્ઞકારે આગેવાનના પાપનું પ્રાયશ્ર્વિત કરવું એટલે તેને માફ કરવામાં આવશે. “જો કોઈ સામાન્ય માણસ અજાણતાં પાપ કરે, અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે, તો તેની તેને જાણ થતાં જ તેણે ખોડખાંપણ વગરની બકરીનું અર્પણ ચડાવવું. તેણે તેના માથા ઉપર પોતાનો હાથ મૂકવો અને યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં તેને કાપવી. યજ્ઞકારે તેના રક્તમાં આંગળી બોળી યજ્ઞવેદીનાં શિંગ પર તે લગાવવું અને બાકીનું બધું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું. ત્યારપછી તેણે સંગતબલિની માફક જ તેની બધી ચરબી કાઢી લઈ યજ્ઞવેદી પર તેનું દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. યજ્ઞકાર આ રીતે માણસના પાપનું પ્રાયશ્ર્વિત કરે એટલે તે માફ કરવામાં આવશે. “જ્યારે કોઈ માણસ પ્રાયશ્ર્વિતબલિ તરીકે ઘેટાંમાંથી અર્પણ ચડાવે તો તે ખોડખાંપણ વગરની ઘેટી હોવી જોઈએ. તેણે તેના માથા ઉપર પોતાનો હાથ મૂકવો અને યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં તેને કાપવી. ત્યારપછી યજ્ઞકારે તેના રક્તમાં આંગળી બોળી યજ્ઞવેદીનાં શિંગ પર તે લગાવવું અને બાકીનું બધું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું. ત્યારપછી તેણે સંગતબલિની માફક જ તેની બધી ચરબી કાઢી લેવી અને યજ્ઞકારે યજ્ઞવેદી પર પ્રભુ સમક્ષ તે બાળી મૂકવી. આ રીતે યજ્ઞકાર માણસના પાપનું પ્રાયશ્ર્વિત કરે એટલે તેને માફ કરવામાં આવશે.” “તમારે નીચેના કિસ્સાઓમાં દોષ નિવારણ બલિ ચડાવવો. “જો કોઈ માણસને અદાલતમાં સાક્ષી આપવા માટે બોલાવવામાં આવે અને તે પોતે જોયેલી કે જાણેલી હકીક્ત સત્ય જાહેર ન કરે અને એમ પાપમાં પડે તો તેણે તે અંગેની સજા ભોગવવી પડશે. “જો કોઈ માણસ અજાણતાં કોઈપણ અશુદ્ધ વસ્તુ, એટલે પાળેલાં, વન્ય કે પેટે ચાલનાર પ્રાણીના શબનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય અને તેની જાણ થતાં જ તે દોષિત ગણાય. “જો કોઈ માણસ અજાણતાં અશુદ્ધ માનવી કે માનવી શબનો સ્પર્શ કરે તો તેની જાણ થતાં જ તે દોષિત ગણાય. “જો કોઈ માણસ ખરી કે ખોટી કોઈપણ બાબત વિષે વગર વિચાર્યે સોગંદ ખાય તો તેની જાણ થતાં જ તે દોષિત ગણાય. “જો કોઈ આમાંથી કોઈપણ બાબત સંબંધી દોષિત થયો હોય તો તેણે પોતાનો દોષ કબૂલ કરવો. અને પોતાનું પાપ દૂર કરવા માટે તે પ્રભુ સમક્ષ દોષનિવારણ બલિ લાવે તો તેમાં તેણે પ્રભુને ઘેટી કે બકરી ચડાવવી અને યજ્ઞકાર તેના પાપ માટે પ્રાયશ્ર્વિત કરે. “પણ જો તે ઘેટી કે બકરી ચડાવવાને સમર્થ ન હોય તો તેણે દોષનિવારણ બલિ તરીકે પ્રભુને બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાં; એક પ્રાયશ્ર્વિત બલિ તરીકે અને બીજું દહનબલિ તરીકે ચડાવવું. તેણે તેમને યજ્ઞકાર પાસે લાવવાં. સૌપ્રથમ યજ્ઞકાર પ્રાયશ્ર્વિત બલિ માટે પક્ષી ચડાવે. તેણે તેની ડોક મરડી નાખવી; પણ એવું કરતાં તેનું માથું અલગ પડવા દેવું નહિ. ત્યાર પછી તેણે તેમાંથી થોડું રક્ત યજ્ઞવેદીની બાજુ પર છાંટવું અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું. એ તો પાપ દૂર કરવા માટેનું અર્પણ છે. ત્યાર પછી તેણે બીજા પક્ષીનું દહનબલિ તરીકે વિધિના નિયમ પ્રમાણે દહન કરવું. આ રીતે યજ્ઞકાર માણસના પાપને માટે દોષનિવારણ બલિ ચડાવે; એટલે, તે માણસને માફ કરવામાં આવશે. “જો કોઈ માણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાને સમર્થ ન હોય તો તેણે એક કિલો લોટ દોષનિવારણ બલિ તરીકે ચડાવવો. તેણે તેમાં ઓલિવ તેલ રેડવું નહિ કે લોબાન મૂકવો નહિ. કારણ, એ દોષનિવારણબલિ છે, અને ધાન્યઅર્પણ નથી. તેણે તે લાવીને યજ્ઞકારને આપવું અને યજ્ઞકાર તેમાંથી પ્રતીકરૂપે મૂઠીભર લોટ લઈ યજ્ઞવેદી પરના અગ્નિબલિ પર મૂકીને પ્રભુને ધાન્યઅર્પણ તરીકે તેનું દહન કરે. આ તો પ્રાયશ્ર્વિત બલિ છે. યજ્ઞકારે આ રીતે માણસના પાપના પ્રાયશ્ર્વિત માટે અર્પણ ચડાવે; એટલે, તે માણસને માફ કરવામાં આવશે. ધાન્યઅર્પણ માફક આ અર્પણનો બાકીનો લોટ યજ્ઞકારને મળે છે.” પ્રભુએ મોશેને કહ્યું, “જો કોઈ અજાણતાં પ્રભુનું દાપુ ન ચૂકવીને પાપ કરે તો તેણે પ્રભુને દોષનિવારણબલિ ચડાવવો. તે માટે ખોડખાંપણ વગરનો ઘેટો હોવો જોઈએ. પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત કરવામાં આવે. તેણે તે દાપુ વીસ ટકા ઉમેરીને ચૂકવી દેવું. યજ્ઞકારે તેને માટે ઘેટાનો દોષનિવારણબલિ ચડાવવો; એટલે, તેને માફ કરવામાં આવશે. “જો કોઈ માણસ અજાણતાં પ્રભુની આજ્ઞા તોડી પાપ કરી દોષ લાવે તો તેણે પાપની સજા ભોગવવી પડશે. તેણે દોષનિવારણબલિ તરીકે ખોડખાંપણ વગરનો ઘેટો યજ્ઞકાર પાસે લાવવો. પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત નક્કી કરવામાં આવે. તેણે અજાણતાં કરેલા પાપને માટે યજ્ઞકારે દોષ નિવારણબલિ ચડાવવો; એટલે, તે માણસને માફ કરવામાં આવશે. પ્રભુની વિરુદ્ધ તેણે કરેલા પાપ માટેનો એ દોષનિવારણ બલિ છે.” પ્રભુએ મોશેને કહ્યું, “જો કોઈ માણસ બીજા કોઈની થાપણ પાછી ન આપે અથવા તેનું કંઈ ચોરી લે અથવા તેને છેતરે, અથવા કોઈની ગુમ થયેલી વસ્તુ તેને મળી હોય તે પાછી ન આપે અથવા એ વિષે જૂઠું બોલે અથવા જૂઠા સોગંદ ખાય અને એ રીતે પ્રભુની વિરુદ્ધ પાપ કરે, તો તે મૂડી વિષે કે ચોરી વિષે કે ખોવાયેલી ચીજ વિષે કે જૂઠા સોગંદ વિષે એટલે આવી અપ્રામાણિક બાબતો માટે જ્યારે તે દોષનિવારણ બલિ ચડાવે, ત્યારે તેણે એના માલિકને પૂરેપુરું વળતર ચૂકવી આપવું અને એ ઉપરાંત વધારામાં વીસ ટકા આપવા. તેણે પોતાના દોષનિવારણ બલિ તરીકે ખોડખાંપણ વગરનો એક ઘેટો પ્રભુને ચડાવવો અને પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત નક્કી કરવી. યજ્ઞકારે તેના પાપને માટે દોષનિવારણ બલિ ચડાવવો એટલે, તે માણસને માફ કરવામાં આવશે.” પ્રભુએ મોશેને કહ્યું, “આરોન અને તેના પુત્રોને દહનબલિ અંગે આ નિયમો આપ: દહનબલિ આખી રાત યજ્ઞવેદી પર રહે. તેના પર અગ્નિ સતત સળગતો રાખવાનો છે. *** પછી યજ્ઞકારે અળસી રેસાનાં વસ્ત્રનો શ્વેત ઝભ્ભો અને જાંઘિયો પહેરીને યજ્ઞવેદી પરથી દહન થઈ ગયેલા અગ્નિબલિની રાખ લઈ લેવી અને તેને વેદીની બાજુમાં મૂકવી. ત્યાર પછી તેણે પોતાનો પોશાક બદલવો અને એ રાખ છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ નાખી દેવી. યજ્ઞવેદી પર અગ્નિ સતત સળગતો રાખવો અને તેને કદી હોલવાઈ જવા દેવો નહિ. દરરોજ સવારે યજ્ઞકારે તે પર લાકડાં બાળવાં, તેના પર દહનબલિ ચડાવવો અને સંગતબલિની ચરબીનું તે પર દહન કરવું. યજ્ઞવેદી પર અગ્નિ સતત સળગતો રાખવો અને તેને કદી હોલવાઈ જવા દેવો નહિ. “ધાન્યઅર્પણ અંગેના નિયમો આ પ્રમાણે છે: આરોનવંશી યજ્ઞકારે યજ્ઞવેદી સમક્ષ ધાન્યઅર્પણ પ્રભુને ચડાવવું. ત્યાર પછી તેણે તેમાંથી મૂઠીભર લોટ, તેલ અને બધો જ લોબાન લઈને પ્રતીકરૂપે યજ્ઞવેદી પર દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. બાકીનું બધું યજ્ઞકારોએ ખાવાનું છે. તેમણે તેમાંથી ખમીર નાખ્યા વગર રોટલી બનાવી પ્રભુની સમક્ષ મુલાકાતમંડપના ચોકમાં ખાવી. પ્રભુએ તે યજ્ઞકારોને ધાન્યઅર્પણના તેમના ભાગ તરીકે આપેલું છે; તે અતિ પવિત્ર છે. પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણ બલિની માફક તે અતિ પવિત્ર છે. *** આરોન વંશનો કોઈપણ પુરુષ પ્રભુને ચડાવેલા અગ્નિબલિના ભાગરૂપે તે ખાઈ શકશે. વંશપરંપરાગત તે તેમનો કાયમનો ભાગ છે. જે કોઈ તેનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય.” પ્રભુએ મોશેને કહ્યું, “આરોનવંશી યજ્ઞકારના અભિષેક માટે આ નિયમ છે: પોતાના અભિષેકના દિવસે તેણે પ્રભુને આ પ્રમાણેનું અર્પણ ચડાવવું. દરરોજના ધાન્યઅર્પણ જેટલો એટલે એક કિલો ઝીણો લોટ અર્ધો સવારે અને બાકીનો સાંજે ચડાવવો. *** તેણે તેમાં તેલ મિશ્ર કરવું અને પછી તવા ઉપર શેકીને તેના ટુકડા કરવા અને પછી તે ધાન્યઅર્પણ તરીકે ચડાવવો. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. બધા આરોનવંશી પ્રમુખ યજ્ઞકારોએ કાયમી નિયમ તરીકે આ અર્પણ પ્રભુને ચડાવવાનું છે; તે અર્પણનું પૂરેપૂરું દહન કરવાનું છે. યજ્ઞકારે પ્રભુને ચડાવેલ ધાન્યઅર્પણનો કોઈ ભાગ ખાવાનો નથી; એનું અગ્નિમાં દહન કરી નાખવું.” પ્રભુએ મોશેને કહ્યું, “આરોન અને તેના પુત્રોને પ્રાયશ્ર્વિતબલિ અંગે નીચેના નિયમો આપ: પ્રાયશ્ર્વિતબલિનું પ્રાણી યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં કાપવું. આ અતિ પવિત્ર અર્પણ છે. *** વિધિ કરનાર યજ્ઞકારે મુલાકાત મંડપના ચોકમાં તે ખાવાનું છે. જે કોઈ તેનો સ્પર્શ કરે તે પવિત્ર ગણાય. જો કોઈનાં કપડાં પર તેના રક્તનાં છાંટા ઊડે તો તેમને પવિત્ર જગ્યાએ ધોઈ નાખવાં. માટીના જે પાત્રમાં તે બાફવામાં આવે તેને ભાંગી નાખવું અને જો તે તાંબાના પાત્રમાં બફાયું હોય તો તે પાત્રને માંજીને વીછળી નાંખવું. યજ્ઞકાર કુટુંબનો કોઈપણ પુરુષ આ બલિ ખાઈ શકે છે; તે અતિ પવિત્ર છે. પણ જો તેનું રક્ત મુલાકાતમંડપમાં પાપ દૂર કરવા માટેની વિધિમાં વપરાયું હોય તો તે પ્રાયશ્ર્વિતબલિ ખાવો નહિ, પણ તેને અગ્નિમાં બાળી નાખવું. “દોષનિવારણબલિના નિયમો આ પ્રમાણે છે: તે અતિ પવિત્ર છે. દોષનિવારણબલિના પ્રાણીને યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ માટેનું પ્રાણી કપાય છે ત્યાં કાપવું. યજ્ઞવેદીની ચારે બાજુએ તેનું રક્ત છાંટવું. તેની બધી ચરબી કાઢી લઈ વેદી ઉપર ચડાવવી. ચરબીદાર પૂંછડી; આંતરડાં ઉપરની ચરબી; બન્‍ને મૂત્રપિંડો અને તેમના ઉપરની ચરબી અને કલેજાનો ચરબીયુક્ત ભાગ કાઢી લેવા. યજ્ઞકારે આ બધી જ ચરબી વેદી ઉપર પ્રભુને અગ્નિબલિ તરીકે ચડાવી તેનું દહન કરવાનું છે. આ દોષનિવારણ બલિ છે. યજ્ઞકાર કુટુંબનો કોઈપણ પુરુષ તે ખાઈ શકે છે; પણ તે અતિ પવિત્ર છે. તેથી તે પવિત્રસ્થાનમાં જ ખાવામાં આવે. “પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણ બલિ માટે એક સરખો નિયમ છે: વિધિ કરનાર યજ્ઞકારને તેનું માંસ મળે. દહનબલિમાં વિધિ કરનાર યજ્ઞકારને પ્રાણીનું ચામડું મળે. દરેક ધાન્યઅર્પણ ભઠ્ઠીમાં, કઢાઈમાં કે તવામાં તૈયાર કરવામાં આવે અને એ બધું જ વિધિ કરનાર યજ્ઞકારને મળે. પરંતુ પકવવામાં નહિ આવેલ તેલથી મોયેલું કે તેલરહિત ધાન્યઅર્પણ બધું જ આરોનવંશી યજ્ઞકારોનું છે અને તેમણે તે સરખે ભાગે વહેંચી લેવું.” “પ્રભુને અર્પણ કરવામાં આવતા સંગતબલિના નિયમો આ પ્રમાણે છે: જો કોઈ આભારસ્તુતિને માટે બલિ લાવે તો તે ઉપરાંત તેણે ખમીર વગરની તેલથી મોયેલી રોટલી, ખમીર વગરની તેલ ચોપડેલી ભાખરી કે તેલથી મોયેલા લોટના ખાખરા ચડાવવા. આભારસ્તુતિ માટેના પોતાના સંગતબલિના યજ્ઞ સાથે તેણે ખમીરવાળી રોટલી પણ ચડાવવી. આ દરેક પ્રકારની વાનગીમાંથી એકએક લઈ તેનું પ્રભુને અર્પણ કરવું. યજ્ઞવેદી ઉપર સંગતબલિનું રક્ત છાંટનાર યજ્ઞકારને તે મળે. જે દિવસે પ્રાણી ચડાવવામાં આવ્યું હોય તે જ દિવસે તેનું માંસ ખાઈ જવાનું છે. બીજા દિવસની સવાર સુધી તેમાંનું કંઈ જ રાખવામાં આવે નહિ. “જો કોઈ માણસ માનતા પૂરી થઈ હોવાથી અથવા સ્વૈચ્છિક રીતે સંગતબલિ લાવે તો તેનું માંસ તે દિવસે ખાવામાં આવે અને તે પછીના દિવસે પણ ખાઈ શકાય. પણ તે બલિદાનનું જે માંસ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું. જો ત્રીજે દિવસે સંગતબલિના યજ્ઞનું માંસ કોઈ ખાય તો પ્રભુ તેનું અર્પણ સ્વીકારશે નહિ. તેથી કોઈ લાભ થશે નહિ; તે અશુદ્ધ છે. જે કોઈ તે ખાય તેણે તેની સજા ભોગવવી પડશે. જો તે માંસને કોઈ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ થાય તો તે ખાવામાં ન આવે પણ બાળી નાખવામાં આવે. “જે કોઈ શુદ્ધ હોય તે જ સંગતબલિનું માંસ ખાય. પણ જો કોઈ અશુદ્ધ હોવા છતાં પ્રભુને ચડાવેલ સંગતબલિનું માંસ ખાય તો સમાજમાંથી તેનો બહિષ્કાર કરવો. વળી, જો કોઈ અશુદ્ધ વસ્તુનો એટલે અશુદ્ધ મનુષ્ય, પ્રાણી કે સર્પટિયાનો સ્પર્શ કરે અને પછી પ્રભુને ચડાવેલ સંગતબલિનું માંસ ખાય તો તેનો સમાજમાંથી બહિષ્કાર કરવો.” પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: તમારે કોઈ આખલા, ઘેટા કે બકરાની ચરબી ખાવી નહિ. *** કુદરતી રીતે મરણ પામેલા અથવા જંગલી પશુએ ફાડી ખાધેલ પ્રાણીની ચરબી તમારે ખાવી નહીં. તેનો બીજા કોઈ હેતુને માટે ઉપયોગ કરી શકાય. જો કોઈ પ્રભુને અર્પણ કરેલ પ્રાણીની ચરબી ખાય તો તેનો સમાજમાંથી બહિષ્કાર કરવો. હે ઇઝરાયલીઓ, તમે ગમે ત્યાં વસતા હો પણ તમારે કોઈ પ્રાણી કે પક્ષીનું રક્ત ખાવાનું નથી. જે કોઈ આ નિયમનો ભંગ કરે તેને સમાજમાંથી કાઢી મૂકવો.” પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: જો કોઈ માણસ સંગતબલિ ચડાવે તો તેણે તેમાંથી અમુક ભાગ પ્રભુને ખાસ ભેટ તરીકે અર્પવા લઈ આવવો. *** તેણે જાતે જ તે ભાગનું અર્પણ લઈને આવવું. તેણે પ્રાણીની છાતીના ભાગ સાથે ચરબી લાવીને પ્રભુને તેનું અર્પણ કરવું. યજ્ઞકાર યજ્ઞવેદી પર ચરબીનું દહન કરે પણ છાતીનો ભાગ આરોનવંશી યજ્ઞકારને મળે. તમારા સંગતબલિની જમણી જાંઘ ખાસ હિસ્સા તરીકે યજ્ઞકારને મળે. સંગતબલિના પ્રાણીનાં રક્ત અને ચરબી અર્પણ કરનાર યજ્ઞકારને તે મળે. ઇઝરાયલીઓએ ચડાવેલ સંગતબલિના પ્રાણીનો છાતીનો ભાગ તે ખાસ અર્પણ છે અને તેની જમણી જાંઘ તે ખાસ હિસ્સો છે. હું પ્રભુ આ બધું રાખી લઉં છું અને આરોનવંશી યજ્ઞકાર તથા તેના પુત્રોને કાયમના દાપા તરીકે આપું છું.” જે દિવસે આરોન અને તેના પુત્રોનો યજ્ઞકાર તરીકે અભિષેક કરવામાં આવ્યો તે દિવસે પ્રભુને ચડાવેલા અર્પણોમાંથી એ દાપુ તેમને આપ્યું. જે દિવસે તેમનો અભિષેક કરવામાં આવ્યો તે દિવસે તેમને આ દાપુ આપવા પ્રભુએ ઇઝરાયલીઓને આજ્ઞા કરી. ઇઝરાયલીઓએ વંશપરંપરા આ નિયમ કાયમને માટે પાળવાનો છે.” આ બધા દહનબલિ, ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ, દોષનિવારણબલિ, પદપ્રતિષ્ઠાબલિ તથા સંગતબલિ અંગેના નિયમો છે. સિનાયના રણપ્રદેશમાં પ્રભુએ ઇઝરાયલીઓને બલિદાનો ચડાવવાની આજ્ઞા ફરમાવી ત્યારે તેમણે સિનાય પર્વત પર મોશેને આ નિયમો આપ્યા હતા. પ્રભુએ મોશેને કહ્યું, “આરોન અને તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લઈ જા. તે સાથે યજ્ઞકારનો પોશાક, અભિષેકનું તેલ, પ્રાયશ્ર્વિતબલિનો આખલો, બે ઘેટા અને ખમીર વગરની રોટલીની ટોપલી પણ લે. ત્યાર પછી ઇઝરાયલીઓના સમગ્ર સમાજને ત્યાં એકત્ર કર.” મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું: ઇઝરાયલીઓનો સમગ્ર સમાજ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે એકત્ર થયો. તેણે તેમને કહ્યું, “હવે પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણેનો વિધિ હું કરવાનો છું.” મોશેએ આરોન અને તેના પુત્રોને આગળ બોલાવ્યા, તેમને વિધિગત રીતે સ્નાન કરાવ્યું. પછી તેણે આરોનને ડગલો પહેરાવ્યો. તેની કમરે પટ્ટો બાંધ્યો. તેને ઝભ્ભો પહેરાવ્યો અને સુંદર કારીગરીથી વણેલો એફોદ પહેરાવી તેના પર કમરપટ્ટો બાંધી દીધો. પછી તેણે તેને ઉરપત્ર પહેરાવ્યું; તેમાં ઉરીમ અને થુમ્મીમ જડેલાં હતાં. ત્યાર પછી તેણે તેને માથે પાઘડી મૂકી અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે પાઘડીના આગળના ભાગ પર સમર્પણની નિશાની એટલે સુવર્ણપત્ર લગાવ્યું. ત્યાર પછી મોશેએ અભિષેકનું તેલ લીધું. તેનાથી તેણે મુલાકાત મંડપ અને તેમાંની બધી વસ્તુઓનો અભિષેક કરીને પ્રભુને તેમનું સમર્પણ કર્યું. તેણે વેદી પર તેલનો સાતવાર છંટકાવ કર્યો. તેણે વેદી અને તેનાં બધાં પાત્રો, તેમજ જળકુંડ અને તેની બેઠકનું પ્રભુને સમર્પણ કર્યું. ત્યાર પછી તેણે આરોનના માથા પર અભિષેકનું તેલ રેડીને તેની પદપ્રતિષ્ઠાનો વિધિ કર્યો. પછી મોશેએ આરોનના પુત્રોને આગળ બોલાવ્યા. તેણે તેમને ઝભ્ભા પહેરાવ્યા, કમરે કમરબંધ બાંધ્યો અને માથે પાઘડી પહેરાવી. તેણે તે બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું. પછી મોશે પ્રાયશ્ર્વિતબલિના આખલાને પાસે લાવ્યો. આરોન અને તેના પુત્રોએ તેના માથા પર પોતાના હાથ મૂક્યા. પછી મોશેએ તેને કાપ્યો અને તેના રક્તમાંથી થોડું લઈને આંગળી વડે શિંગ પર લગાવ્યું; જેથી વેદી વિધિગત રીતે શુદ્ધ થાય. બાકીનું રક્ત તેણે વેદીના પાયામાં રેડી દીધું. આ રીતે તેણે વેદીને શુદ્ધ કરીને તેનું સમર્પણ કર્યું. પછી મોશેએ આંતરડાં ઉપરની બધી ચરબી, કલેજા ઉપરની બધી ચરબી, બન્‍ને મૂત્રપિંડો અને તે ઉપરની બધી ચરબી લઈને વેદી પર તેનું દહન કર્યું. તેણે આખલાનું બાકીનું બધું એટલે તેનું ચામડું, માંસ અને છાણ પ્રભુની આજ્ઞા પ્રમાણે છાવણીની બહાર લઈ જઈ બાળી મૂકાયું. ત્યાર પછી મોશે દહનબલિના ઘેટાને પાસે લાવ્યો. આરોન અને તેના પુત્રોએ તેના માથા પર પોતાના હાથ મૂક્યા. મોશેએ તેને કાપ્યો. તેણે તેનું રક્ત વેદી પર તેની ચારે બાજુએ છાંટયું. ત્યાર પછી તેણે તેના કાપીને ટુકડા કર્યા, પછી પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે તેનું માથું, ચરબી અને બધા ટુકડાઓનું વેદી પર દહન કર્યું. તેણે તેનાં આંતરડાં અને પાછળના પગ પાણીથી ધોઈ નાખીને વેદી પર તે બધાનું દહન કર્યું. આ દહનબલિની સુવાસથી પ્રભુ પ્રસન્‍ન થાય છે. *** ત્યાર પછી મોશે બીજા ઘેટાને પાસે લાવ્યો. તે ઘેટો તો યજ્ઞકારોની પદપ્રતિષ્ઠા માટેનો હતો. આરોન અને તેના પુત્રોએ તેના માથા પર પોતાના હાથ મૂક્યા. મોશેએ તેને કાપ્યો અને તેના રક્તમાંથી થોડું લઈને આરોનના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર લગાડયું. પછી તેણે આરોનના પુત્રોને આગળ બોલાવ્યા. તેણે તેમના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર થોડું રક્ત લગાડયું. બાકીનું બધું રક્ત મોશેએ વેદીની ચારે બાજુએ રેડી દીધું. પછી તેણે જાડી ચરબીદાર પૂંછડી, આંતરડા ઉપરની બધી ચરબી, કલેજા ઉપરની બધી ચરબી, બન્‍ને મૂત્રપિંડો અને તે પરની ચરબી, તથા જમણી જાંઘ લીધાં. પછી તેણે પ્રભુને અર્પિત કરેલી ખમીર રહિત રોટલીની ટોપલીમાંથી એક ખમીર રહિતની રોટલી, એક તેલથી મોયેલી ભાખરી અને એક પોળી લઈને ચરબી ઉપર તથા જમણી જાંઘ ઉપર મૂક્યાં. ત્યાર પછી તેણે આ બધું આરોન અને તેના પુત્રોના હાથમાં મૂકાયું. તેમણે આ બધાંનું ખાસ ભેટ તરીકે પ્રભુને અર્પણ ચડાવ્યું. ત્યાર પછી મોશેએ તેમની પાસેથી એ બધું લઈ લીધું અને તેને યજ્ઞવેદી પર દહનબલિ ઉપર મૂકી તેનું દહન કર્યું. એ તો યજ્ઞકારોની પદપ્રતિષ્ઠાવિધિનું અર્પણ હતું; જેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. પછી મોશેએ છાતીનો ભાગ લઈ તે પ્રભુને ચડાવ્યો. યજ્ઞકારોની પદપ્રતિષ્ઠાવિધિના અર્પણમાંથી એ ભાગ મોશેને મળ્યો. મોશેએ આ બધી વિધિ પ્રભુની આજ્ઞા મુજબ કરી. પછી મોશેએ અભિષેકનું થોડું તેલ અને યજ્ઞવેદી પરથી થોડું રક્ત લીધું. તે તેણે આરોન અને તેના પુત્રોનાં વસ્ત્રો પર છાંટયું. આ પ્રમાણે તેણે તેમને અને તેમનાં વસ્ત્રોને પ્રભુને સમર્પિત કર્યાં. મોશેએ આરોન અને તેના પુત્રોને કહ્યું, “પ્રભુની આજ્ઞા પ્રમાણે આ માંસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લઈ જાઓ. ત્યાં તેને બાફીને તૈયાર કરો અને તે પદપ્રતિષ્ઠાવિધિના અર્પણની ટોપલીમાંની રોટલી સાથે ખાઓ. માંસ અને રોટલીમાંથી જે કંઈ વધે તેને બાળી નાખો. સાત દિવસ સુધી તમારે મુલાકાતમંડપના પ્રવેશદ્વારની બહાર જવાનું નથી. કારણ, તમારો પદપ્રતિષ્ઠાવિધિ સાત દિવસ ચાલશે. તમારાં પાપ દૂર કરવા માટે આજે આ વિધિ પ્રભુની આજ્ઞા પ્રમાણે પાળવામાં આવ્યો છે. તમારે સાત દિવસ અને સાત રાત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે રહેવાનું છે અને પ્રભુને આજ્ઞાધીન થવાનું છે, જો તમે તેમ નહિ કરો તો તમે માર્યા જશો. પ્રભુ તરફથી મને એવી આજ્ઞા મળેલી છે.” તેથી આરોન અને તેના પુત્રોએ મોશેની મારફતે પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે સમગ્ર વિધિ પૂર્ણ કર્યો. પદપ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયો ત્યાર પછી એટલે આઠમે દિવસે મોશેએ આરોન, તેના પુત્રો અને ઇઝરાયલના આગેવાનોને બોલાવ્યા. તેણે આરોનને કહ્યું, “તું ખોડખાંપણ વગરના એક વાછરડાનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને ખોડખાંપણ વગરના એક ઘેટાનું દહનબલિ તરીકે પ્રભુને બલિદાન કર. ત્યાર પછી તું ઇઝરાયલી લોકોને પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો અને દહનબલિ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષનો વાછરડો અને તેવું જ એક ઘેટાનું બચ્ચું; તથા સંગતબલિ તરીકે એક આખલો અને ઘેટો પ્રભુને ચડાવવાનું કહે. તેમણે આ બલિદાનને તેલથી મોયેલા ધાન્ય અર્પણ સાથે પ્રભુને ચડાવવાનાં છે. કારણ, પ્રભુ આજે તેમને દર્શન દેવાના છે.” તેઓ એ બધું મોશેની આજ્ઞા પ્રમાણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લાવ્યા. પ્રભુનું ભજન કરવા માટે સમગ્ર ઇઝરાયલી સમાજ ત્યાં એકત્ર થયો. મોશેએ કહ્યું, “પ્રભુએ તમને આ બધું કરવાની આજ્ઞા આપેલી છે; એ માટે કે તમને પ્રભુના ગૌરવનાં દર્શન થાય.” ત્યાર પછી તેણે આરોનને કહ્યું, “યજ્ઞવેદી પાસે જા અને તારા તથા લોકોનાં પાપને માટે પ્રભુને પ્રાયશ્ર્વિત બલિ અને દહનબલિ ચડાવ અને લોકોનાં પાપના નિવારણ માટે પ્રભુની આજ્ઞા પ્રમાણે આ યજ્ઞ કર.” આરોન યજ્ઞવેદી પાસે ગયો અને પોતાના પ્રાયશ્ર્વિતબલિ તરીકે વાછરડાનો બલિ ચડાવ્યો. તેના પુત્રો તેની પાસે તેમાંથી રક્ત લાવ્યા. તેણે પોતાની આંગળી બોળીને થોડું રક્ત યજ્ઞવેદીનાં શિંગ પર લગાડયું; બાકીનું રક્ત તેણે વેદીના પાયામાં રેડી દીધું. ત્યાર પછી પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે પ્રાયશ્ર્વિતબલિની બધી ચરબી, મૂત્રપિંડો અને કલેજાના ચરબીયુક્ત ભાગનું યજ્ઞવેદી પર દહન કર્યું. પણ તેણે માંસ તથા ચામડું છાવણી બહાર લઈ જઈને અગ્નિમાં બાળી નાખ્યાં. પછી તેણે પોતાના દહનબલિ માટેનું પ્રાણી પ્રભુને ચડાવ્યું. તેના પુત્રો તેની પાસે તેમાંથી રક્ત લાવ્યા. તેણે તે રક્ત યજ્ઞવેદીની ચારે બાજુએ છાંટયું. તેમણે તેને પ્રાણીનું માથું અને દહનબલિના ટુકડાઓ આપ્યાં અને તેણે તેમનું યજ્ઞવેદી પર દહન કર્યું. ત્યાર પછી તેણે આંતરડાં અને પાછલા પગ ધોઈ નાખ્યા અને દહનબલિની ઉપર મૂકીને તેમનું દહન કર્યું. ત્યાર પછી તેણે લોકોને માટે બલિદાન ચડાવ્યું. તેણે લોકોનાં પાપ માટેનો બકરો લીધો, તેને કાપ્યો અને તેણે પોતાના પ્રાયશ્ર્વિતબલિનું કર્યું હતું તે જ પ્રમાણે આ પ્રાયશ્ર્વિતબલિ પણ ચડાવ્યો. પછી તેણે વિધિના નિયમો પ્રમાણે દહનબલિ પણ ચડાવ્યો. પછી તેણે ધાન્યઅર્પણ ચડાવ્યું. મુઠીભર લોટ લઈને તેણે તેનું યજ્ઞવેદી પર દહન કર્યું. (આ અર્પણ તો દરરોજના દહનબલિ ઉપરાંતનું હતું.) લોકો માટેના સંગતબલિ તરીકે તેણે આખલા અને ઘેટાનો બલિ ચડાવ્યો. તેના પુત્રો તેની પાસે તેમાંથી રક્ત લાવ્યા અને તેણે તે વેદીની ચારે બાજુએ છાંટયું. પછી આખલા અને ઘેટાનાં પૂંછ, આંતરડાં અને કલેજા પરની બધી ચરબી લીધી. તેઓ તે બધી ચરબી તે પ્રાણીઓના છાતીના ભાગ ઉપર મૂકીને યજ્ઞવેદીએ લઈ ગયા. ચરબીનું તેણે યજ્ઞવેદી પર દહન કર્યું, અને પ્રભુની આજ્ઞા પ્રમાણે પ્રાણીઓની છાતીના ભાગ અને જમણા પગ યજ્ઞકારોને પ્રભુ તરફથી ખાસ ભેટ તરીકે આપ્યા. આ બધા પ્રાયશ્ર્વિતબલિ, દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા પછી આરોને પોતાના હાથ ઊંચા કરીને લોકોને આશિષ આપી. પછી તે નીચે ઊતરી આવ્યો. ત્યાર પછી મોશે અને આરોન મુલાકાતમંડપમાં ગયા. પછી બહાર આવીને તેમણે લોકોને આશિષ આપી અને બધા લોકોને પ્રભુનાં ગૌરવનાં દર્શન થયાં. એકાએક પ્રભુનો અગ્નિ પ્રગટયો અને યજ્ઞવેદી પરનાં દહનબલિ અને બધી ચરબીને ભસ્મ કરી નાખ્યાં. આ બધું જોઈને લોકોએ હર્ષનાદ કર્યો અને ભૂમિ પર શિર ટેકવીને પ્રભુનું ભજન કર્યું. આરોનના પુત્રો નાદાબ અને અબીહૂએ પોતાની ધૂપદાની લીધી. તેમાં સળગતા અંગારા મૂકી તે પર ધૂપ નાખ્યો અને પ્રભુએ જે અગ્નિ ચડાવવાની આજ્ઞા આપી નહોતી તેવો અપવિત્ર અગ્નિ પ્રભુને ચડાવ્યો. એકાએક પ્રભુનો અગ્નિ પ્રગટયો અને તેઓ તેમાં પ્રભુની સમક્ષ બળી મર્યા. પછી મોશેએ આરોનને કહ્યું, “આ તો પ્રભુએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ બન્યું છે. ‘મારી સેવા કરનારાઓએ મારી પવિત્રતાની અદબ જાળવવી જોઈએ. હું મારું ગૌરવ મારા લોક સમક્ષ પ્રગટ કરીશ.’ ” પરંતુ આરોન શાંત રહ્યો. મોશેએ આરોનના કાકા ઉઝ્ઝીએલના પુત્રો મિશાએલ અને એલસાફાનને બોલાવ્યા. તેણે તેમને કહ્યું, “અહીં આવો અને આ તમારા પિત્રાઈ ભાઈઓનાં શબને પવિત્ર મંડપમાંથી છાવણી બહાર લઈ જાઓ.” તેથી તેઓ આવ્યા અને મોશેના કહ્યા પ્રમાણે તેઓ તેમના ભાઈઓનાં શબ પહેરેલા ઝભ્ભા સહિત છાવણી બહાર લઈ ગયા. ત્યાર પછી મોશેએ આરોન અને તેના પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “તમારા વાળ પીંખી નાખીને કે વસ્ત્રો ફાડીને શોક પ્રદર્શિત કરશો નહિ. તમે એમ કરશો તો તમે માર્યા જશો અને પ્રભુ સમગ્ર ઇઝરાયલી સમાજ પર કોપાયમાન થશે. છતાં પ્રભુના અગ્નિએ પ્રગટીને નીપજાવેલા આ મોત માટે તમારા ઇઝરાયલી ભાઈઓ ભલે શોક કરે. મુલાકાતમંડપના પ્રવેશદ્વારની બહાર જશો નહિ. જો એવું કરશો તો માર્યા જશો. કારણ, પ્રભુના અભિષેકના તેલથી તમને સમર્પિત કરવામાં આવ્યા છે.” તેમણે મોશેના કહ્યા પ્રમાણે કર્યું. પ્રભુએ આરોનને કહ્યું, “તારે કે તારા પુત્રોએ દ્રાક્ષાસવ કે મદ્યપાન કરીને મારા મુલાકાતમંડપમાં પ્રવેશ કરવો નહિ, નહિ તો તમે માર્યા જશો. વંશપરંપરા તમારે માટે આ કાયમી નિયમ છે. *** “તમારે ઈશ્વરને માટે અલગ કરાયેલ અને સામાન્ય વપરાશને માટે રાખેલ વસ્તુઓ વચ્ચેનો તથા વિધિગત રીતે શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ પારખવાનો છે. મોશેની મારફતે આપવામાં આવેલી બધી આજ્ઞાઓ તમારે ઇઝરાયલી લોકોને શીખવવાની છે.” મોશેએ આરોન અને તેના બન્‍ને પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “પ્રભુને ચડાવેલ ધાન્યઅર્પણમાંથી બાકી રહેલો લોટ લો. તેમાંથી ખમીર વગરની રોટલી બનાવો અને યજ્ઞવેદી પાસે તે ખાઓ; કારણ, તે અતિ પવિત્ર છે. પવિત્ર સ્થળે બેસીને તે ખાઓ. પ્રભુને ચડાવેલાં અર્પણમાંથી એ તમારો અને તમારા પુત્રોનો હિસ્સો છે. આ આજ્ઞા મને પ્રભુએ આપેલી છે. વળી, યજ્ઞકારો માટે પ્રભુને ચડાવેલા બલિનો છાતીનો ભાગ અને પાછલા પગ તારો અને તારા કુટુંબનો વિશિષ્ટ હિસ્સો છે. કોઈ પવિત્ર સ્થળે બેસીને તે તમારે ખાવો. ઇઝરાયલી લોકના સંગતબલિમાંથી તમારો અને તમારા બાળકોનો એ હિસ્સો છે. પ્રભુને યજ્ઞાપર્ણ કરતી વખતે ચરબી દહન કરવા લાવવામાં આવે ત્યારે તે સાથે છાતીનો ભાગ અને પાછલા પગ પણ લાવવા. આ ભાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે તારો અને તારાં સંતાનોનો કાયમનો હિસ્સો છે.” મોશેએ પ્રાયશ્ર્વિતબલિ માટેના બકરાની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેનું તો ક્યારનુંય દહન કરી દેવામાં આવ્યું હતું. તેથી તે આરોનના બાકી રહેલા પુત્રો એલાઝાર અને ઇથામાર પર ગુસ્સે ભરાયો. તે બોલ્યો, “તમે શા માટે એ પ્રાયશ્ર્વિતબલિ પવિત્રસ્થાનમાં બેસીને ખાધો નહિ? એ તો અતિ પવિત્ર છે. વળી, સમગ્ર ઇઝરાયલી સમાજનું પાપ દૂર કરવા માટે પ્રભુએ તે તમને આપ્યો હતો. તેનું રક્ત પવિત્રસ્થાનની અંદર લઈ જવામાં આવ્યું નહોતું. તેથી મારી આજ્ઞા પ્રમાણે તમે તે પવિત્રસ્થાનમાં જ ખાઈ શકાયા હોત.” પણ આરોને મોશેને કહ્યું, “જો, આજે તો તેમણે પ્રભુને પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ ચડાવ્યો છે; અને છતાં મારી આવી દશા થઈ છે! તો પછી મેં આજે પ્રાયશ્ર્વિતબલિમાંથી ખાધું હોત તો તે પ્રભુની દૃષ્ટિએ યોગ્ય ગણાયું હોત?” મોશેએ એ સાંભળ્યું ત્યારે તેને ય એ વાત સાચી લાગી. પ્રભુએ મોશે અને આરોનને કહ્યું, “તમે ઇઝરાયલી લોકોને આ પ્રમાણે જણાવો: જમીન પરનાં પ્રાણીઓમાંથી તમે આટલાં ખાઈ શકો છો: તમે ફાટવાળી ખરીવાળાં અને વાગોળતાં પ્રાણીઓ ખાઈ શકો છો. પણ જે પ્રાણીની ફક્ત ખરી ફાટવાળી હોય કે ફક્ત વાગોળતાં હોય તે તમારે ખાવાં નહિ; જેમ કે ઊંટ તે વાગોળે છે, પણ તેની ખરી ફાટેલી નથી; તેથી તે અશુદ્ધ છે. ઘોરખોદિયું અને સસલું; તે વાગોળે છે, પણ તેમની ખરી ફાટેલી નથી; તે અશુદ્ધ છે. *** ભૂંડ ખાવું નહિ; કારણ, તેની ખરી ને પગ ફાટેલાં છે, પણ તે વાગોળતું નથી; તે અશુદ્ધ છે. તમારે તેમનું માંસ ખાવું નહિ કે તેમનાં શબનો સ્પર્શ કરવો નહિ; તે અશુદ્ધ છે. “જળચર પ્રાણીઓમાંથી તમે આટલાં ખાઈ શકો છો. પાણીના બધાં પર અને ભીંગડાવાળાં પ્રાણીઓ ખાઈ શકાય. પરંતુ સમુદ્ર કે નદીમાંના પર કે ભીંગડાં વગરનાં કોઈ જળચરપ્રાણી તમારે ખાવાં નહિ; તે અશુદ્ધ છે. તમારે તેમનું માંસ ખાવું નહિ કે તેમનાં શબનો સ્પર્શ કરવો નહિ. જળચર પ્રાણીઓમાં પર કે ભીંગડાં વગરનાં પ્રાણીઓ તમારે ખાવાં નહિ. “તમારે નીચેનાં પક્ષીઓ ખાવાં નહિ; કારણ, તે અશુદ્ધ છે: ગરુડ, ફરસ, અજના, સમડી, બધી જાતના બાજ, બધી જાતના કાગડા, શાહમૃગ, ચીબરી, શાખાફ, બધી જાતના શકરા, બદામી ધુવડ, કરઢોક, ધુવડ, રાજહંસ, ઢીંચ, બગલો, ગીધ, બધી જાતનાં બતક, લક્કડખોદ, ચામાચીડિયું. *** *** *** *** *** *** “બધાં પાંખોવાળા ચોપગાં જીવજંતુઓ અશુદ્ધ છે. પરંતુ જેઓ કૂદકા મારે છે તે અપવાદ છે: તમારે તીડ, તમરાં અને તીતીઘોડા ખાવાં. *** પરંતુ બીજા બધાં પાંખોવાળા ચાર પગથી પેટ ઘસડીને ચાલનાર જીવજંતુઓ તમારે ખાવાં નહિ; તે અશુદ્ધ છે. “જો કોઈ આ પ્રાણીઓના શબનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય; ફાટેલી ખરીવાળાં પણ પગમાં ચિરાયેલાં ન હોય, વાગોળતાં ન હોય અને પંજા પર ચાલતાં હોય એવાં ચોપગાં પ્રાણીઓ અશુદ્ધ છે. જે કોઈ તેમનાં શબનો સ્પર્શ કરે તેણે પોતાનાં વસ્ત્ર ધોઇ નાખવાં. છતાં સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. *** *** *** *** “પેટ ઘસડીને ચાલનાર પ્રાણીઓ અશુદ્ધ છે: નોળિયો, છછુંદર, ઊંદર અને ઘરોળી. *** જે કોઈ તેમના શબનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જે કંઈ એમના શબને અડકે તે અશુદ્ધ ગણાય. એટલે લાકડાંની, કપડાંની, ચામડાંની કે તારની વસ્તુ પણ અશુદ્ધ ગણાય; પાણીથી તેને ધોઇ નાખવી અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. તેમાંના કોઈનું શબ માટલામાં પડે તેમાં ભરેલી વસ્તુ અશુદ્ધ ગણાય અને તમારે તે પાત્રને ફોડી નાખવું. આવા માટલાનું પાણી ખોરાક પર રેડવામાં આવે તો તે અશુદ્ધ ગણાય અને તે પાત્રનું પીણું પણ અશુદ્ધ ગણાય. જે કોઈ વસ્તુ પર તેમનું શબ પડે તે અશુદ્ધ ગણાય. જો તે ભઠ્ઠી કે સગડી હોય તો તેને ભાંગી નાખવી. પરંતુ પાણીનો ઝરો કે ટાંકુ શુદ્ધ ગણાય: એ સિવાય બીજું કંઈ તેમના શબનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય. જો તેમાંના કોઈનું શબ બિયારણ પર પડે તો તે શુદ્ધ ગણાય. પણ જો બિયારણ પાણીમાં પલાળેલું હોય અને તે પર શબ પડે તો તેને અશુદ્ધ ગણવું. “જો કોઈ ખાવાલાયક પ્રાણી મૃત્યુ પામે તો તેના શબનો સ્પર્શ કરનાર સાંજ સુધી અશુદ્ધ ગણાય. જો કોઈ તે શબમાંથી ખાય તો તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જે કોઈ તેવા શબને ફેંકી આવે તેણે પણ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. “જમીન પર પેટે ચાલનારાં બધાં જ નાનાં નાનાં જીવજંતુઓ અશુદ્ધ છે. તે તમારે ખાવાં નહિ. પછી તે પેટે ચાલે, ચાર પગે ચાલે કે બહુ પગવાળું હોય. આમાંથી કોઈને ખાઈને તમે પોતાને અશુદ્ધ કરશો નહિ. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. હું પવિત્ર છું, માટે તમારે પણ સમર્પિત થઈને પવિત્ર રહેવું જોઈએ. તમારો ઈશ્વર થવા માટે મેં પ્રભુએ તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા. હું પવિત્ર છું માટે તમારે પવિત્ર રહેવું જોઈએ. “તેથી પ્રાણીઓ અને પક્ષીઓ, જળચર અને જમીન પર પેટે ચાલનાર બધા જ જીવો સંબંધી આ નિયમ છે. તમારે વિધિગત રીતે શુદ્ધ અને અશુદ્ધ તેમ જ ખાવાલાયક અને બિનખાવાલાયક વચ્ચે કાળજીપૂર્વક ભેદ રાખવાનો છે.” પ્રભુએ મોશેને કહ્યું, “તમે ઇઝરાયલી લોકોને આ પ્રમાણે કહો: જો કોઈ સ્ત્રી ગર્ભવતી થાય અને પુત્રને જન્મ આપે તો પ્રસૂતિ પછી સાત દિવસ સુધી સ્ત્રી વિધિગત રીતે અશુદ્ધ ગણાય. ઋતુસ્રાવના નિયમની જેમ જ તે અશુદ્ધ ગણાય. આઠમે દિવસે પુત્રની સુન્‍નત કરવામાં આવે. રક્તસ્રાવના સંબંધમાં તે સ્ત્રીનું તેત્રીસ દિવસ પછી શુદ્ધિકરણ થાય. આ દિવસો દરમ્યાન તે કોઇ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે કે પવિત્રસ્થાનમાં પણ પ્રવેશ ન કરે. “જો પુત્રી જન્મે તો ચૌદ દિવસ સુધી તે ઋતુસ્રાવના સમયની માફક જ અશુદ્ધ ગણાય અને તેના રક્તસ્રાવ સંબંધી છાસઠ દિવસ પછી તેનું શુદ્ધિકરણ થાય. “જ્યારે તેનાં પુત્ર કે પુત્રીના કિસ્સામાં શુદ્ધિકરણનો દિવસ આવે ત્યારે તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યજ્ઞકાર પાસે દહનબલિ તરીકે એક વર્ષનો ઘેટો અને પ્રાયશ્ર્વિતબલિ તરીકે કબૂતર કે હોલાનું બચ્ચું લાવવું. યજ્ઞકાર પ્રભુને બલિદાન ચડાવી સ્ત્રીને માટે અશુદ્ધતા દૂર કરવા પ્રાયશ્ર્વિતનો વિધિ કરે એટલે સ્ત્રી તેના રક્તસ્રાવના સંબંધમાં વિધિગત રીતે શુદ્ધ થએલી ગણાય. પ્રસૂતા માટે આ નિયમ છે. “જો તે સ્ત્રી ઘેટો લાવવાને સમર્થ ન હોય તો તેણે કબૂતર કે હોલાનાં બે બચ્ચાં લાવવાં: એક દહનબલિ માટે અને બીજું પ્રાયશ્ર્વિત બલિ માટે. યજ્ઞકાર તેને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે એટલે તે સ્ત્રી વિધિગત રીતે શુદ્ધ થયેલી ગણાય.” પ્રભુએ મોશે અને આરોનને કહ્યું, “જો કોઈ માણસની ચામડી પર સોજો આવે, ચાંદું પડે કે ચળકતું દેખાય અને તેમાંથી કોઈ ભયંકર ચર્મરોગની શક્યતા લાગે તો તેને યજ્ઞકાર આરોન અથવા તેના પુત્રો પાસે લઈ જવો. યજ્ઞકાર તેની ચામડી ઉપરના રોગની તપાસ કરે. જો ત્યાંના વાળ સફેદ થઈ ગયા હોય અને રોગ ચામડી કરતાં ઊંડો દેખાય તો નિશ્ર્વે તે રક્તપિત્ત છે તેમ સમજવું. યજ્ઞકાર તેની તપાસ કરીને તેને અશુદ્ધ જાહેર કરે. પરંતુ જો એ ડાઘ ચામડી કરતાં ઊંડો ઊતરેલો ન હોય અને ત્યાંના વાળ સફેદ થયા ન હોય તો યજ્ઞકાર તે દર્દીને સાત દિવસ અલગ રાખે. સાતમે દિવસે યજ્ઞકાર તેને ફરીથી તપાસે. તેનો ડાઘ એવો ને એવો જ હોય અને વધુ પ્રસર્યો ન હોય તો તેને બીજા સાત દિવસ અલગ રાખવો. ફરીથી સાતમે દિવસે યજ્ઞકાર તેની તપાસ કરે. જો તેનો ડાઘ ઝાંખો થયો હોય અને વધુ પ્રસર્યો ન હોય તો યજ્ઞકારે તેને શુદ્ધ જાહેર કરવો. તે માત્ર ડાઘ જ હતો એમ સમજવું. તે દર્દી પોતાનાં કપડાં ધોઈ નાખે એટલે તે શુદ્ધ થશે. પરંતુ શુદ્ધિકરણને માટે તે યજ્ઞકાર પાસે આવી તપાસ કરાવે. તે પછી પણ તેનો ડાઘ વધતો જ જાય તો તેણે ફરીથી યજ્ઞકાર પાસે તેની તપાસ કરાવવી. યજ્ઞકાર તેને તપાસ્યા પછી તેનો રોગ ચામડીમાં વધુ પ્રસર્યો છે તેવું જાહેર કરે તો તે અશુદ્ધ છે અને નિશ્ર્વે તેને રક્તપિત્ત થયો છે. “જો કોઈને ચામડીમાં ચાંદાનો રોગ થયો હોય તો તેને યજ્ઞકાર પાસે લઈ જવો. યજ્ઞકાર તેની તપાસ કરે. જો તેની ચામડીમાં સફેદ ચાંદું હોય અને તેને લીધે તેના વાળ પણ સફેદ થઈ ગયા હોય અને ચાંદું પરુંથી ભરાઈ ગયું હોય; *** તો એ ચેપી ચાંદું છે અને એ ઘણા લાંબા સમયથી થયેલો ચામડીના ચાંદાનો રોગ છે. યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે. તેને અલગ પૂરી રાખવાની કોઈ જરૂર નથી. કારણ, તે દેખીતી રીતે જ અશુદ્ધ છે. પરંતુ જો તે રોગ ફેલાઈને ચામડીમાં પ્રસરી જાય અને યજ્ઞકારને લાગે કે માથાથી પગ સુધી આખા શરીરની બધી ચામડીમાં તે પ્રસરી ગયેલો છે; તો યજ્ઞકાર તેને તપાસે. આખા શરીરની ચામડી પર રોગ ફેલાયેલો હોય તો યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે. તેનું આખું શરીર સફેદ થઈ ગયું હોવાથી તે શુદ્ધ છે. પણ ચાંદાંમાંથી પરું દેખાવા લાગે તો તે જ સમયથી તે માણસ અશુદ્ધ ગણાય. યજ્ઞકાર તે ચાંદાંની તપાસ કરી તેને અશુદ્ધ જાહેર કરે. પાકેલાં ચાંદાં અશુદ્ધ છે; તે તો ચામડીમાં ચાંદાંનો રોગ છે. *** પણ જો તેમાં રુઝ આવે અને તે સફેદ બની જાય તો તેવા માણસે યજ્ઞકાર પાસે જવું. યજ્ઞકાર તેની તપાસ કરે. જો ચાંદા સફેદ બની ગયાં હોય તો યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે. તે પછી તે શુદ્ધ છે. “જો કોઈના શરીરની ચામડી પર ગૂમડું થાય અને તે રુઝ આવીને મટી જાય, અને તે જગ્યાએ સફેદ કે રતાશ પડતું ચાંદું પડી જાય તો તો તેણે તે યજ્ઞકારને બતાવવું. યજ્ઞકાર તેની તપાસ કરે. જો ચાંદું ચામડી કરતાં ઊંડું ગયું હોય અને તેમાંના વાળ સફેદ થઈ ગયા હોય તો યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે. પરંતુ તપાસ કરતાં એવું લાગે કે ત્યાંના વાળ સફેદ થયા નથી અને ચામડી કરતાં તે ઊંડું ગયું નથી પરંતુ ઝાંખું પડી ગયું છે તો યજ્ઞકાર તેને સાત દિવસ સુધી અલગ રાખે. ત્યાર પછી જો તે ચામડીમાં પ્રસરી જાય તો યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે એ તે રક્તપિત્ત છે. પણ જો તે ચાઠું એવું ને એવું જ રહે, વધુ પ્રસરે નહિ તો તે ગૂમડાને લીધે જ છે એમ સમજવું અને યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે. “જો કોઈ માણસ દાઝી જાય અને તેથી તેની ચામડીના ડામમાં સફેદ કે રતાશ પડતું ચાઠું થઈ જાય, તો તેણે યજ્ઞકાર પાસે જઈને તેની તપાસ કરાવવી. તપાસમાં માલૂમ પડે કે ત્યાંના વાળ સફેદ થઈ ગયા છે અને ચાઠું ચામડી કરતાં વધું ઊંડે ગયેલું છે તો દાઝેલી ચામડી પર રક્તપિત્ત થયો છે એમ સમજવું. યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે; તે તો રક્તપિત્ત છે. પણ યજ્ઞકારને તપાસમાં માલૂમ પડે કે ચાઠાં પરના વાળ સફેદ થયા નથી કે તે ચામડી કરતાં ઊંડે ગયેલું નથી, પણ ઝાંખું પડયું છે તો તેને સાત દિવસ સુધી અલગ રાખવામાં આવે. સાતમે દિવસે ફરીથી યજ્ઞકાર તેની તપાસ કરે. જો ચાઠું ચામડીમાં વધુ પ્રસર્યું હોય તો યજ્ઞકારે તેને અશુદ્ધ જાહેર કરવો. એ તો રક્તપિત્ત છે. પરંતુ જો ચાઠું એવું ને એવું જ હોય, ચામડીમાં વધુ પ્રસર્યું ન હોય અને ઝાંખું પડેલું દેખાય તો તે દાઝી ગયાને લીધે જ છે. યજ્ઞકારે તેને શુદ્ધ જાહેર કરવો; કારણ, તે ચાઠું દાઝી ગયાને લીધે પડેલું છે. “જો કોઈ પુરુષ કે સ્ત્રીને માથા પર કે હડપચી પર ચાંદું હોય તો યજ્ઞકારે તેની તપાસ કરવી. જો તે ચામડી કરતાં ઊંડું હોય અને ત્યાંના વાળ પીળા અને આછા થઈ ગયા હોય તો યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે. તે ઊંદરીનો રોગ છે. તે એક જાતનો માથા કે હડપચીનો રોગ છે. પરંતુ યજ્ઞકાર ઊંદરીનો રોગ તપાસે અને તે ચામડી કરતાં ઊંડે પ્રસરેલો માલૂમ ન પડે અને ત્યાંના વાળ ઘટાદાર અને કાળા હોય તો યજ્ઞકાર તેને સાત દિવસ અલગ રાખે. સાતમે દિવસે તે તેને ફરીથી તપાસે. જો ઊંદરી પ્રસરી ન હોય, વાળ પીળા થયા ન હોય, ઊંદરી ચામડી કરતાં ઊંડે ગઈ ન હોય, તો તે માણસે ઊંદરીવાળા ભાગ સિવાયના વાળ કપાવવા અને યજ્ઞકાર તેને બીજા સાત દિવસ અલગ રાખે. સાતમે દિવસે યજ્ઞકાર ફરીથી તેનો રોગ તપાસે. જો ઊંદરી ચામડી પર વધારે પ્રસરી ન હોય કે ચામડી કરતાં ઊંડે ગઇ ન હોય તો યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં એટલે તે શુદ્ધ થશે. પરંતુ શુદ્ધ જાહેર થઇ ગયા પછી જો તેનો રોગ ચામડી પર વધુ પ્રસરે, તો યજ્ઞકાર તેને ફરીથી તપાસે. જો રોગ ચામડીમાં પ્રસર્યો હોય તો પછી પીળા વાળ તપાસવાની જરૂર નથી; તે વ્યક્તિ અશુદ્ધ છે. પરંતુ જો ઊંદરી એવી ને એવી જ રહે અને તેમાં કાળા વાળ ઊગે તો તે મટી ગઈ છે તેમ સમજવું. તે વ્યક્તિ શુદ્ધ છે. યજ્ઞકાર તેને શુદ્ધ જાહેર કરે. “જો કોઈ પુરુષ કે સ્ત્રીને ચામડી પર સફેદ ચાઠાં પડયાં હોય, તો યજ્ઞકાર તેને તપાસે. જો તે સફેદ ડાઘ ઝાંખા થાય તો તે ચામડી પર કરોળિયા થયા છે તેમ સમજવું. તે વ્યક્તિ શુદ્ધ છે. “જો કોઈના માથાના આગળ કે પાછળના ભાગના વાળ ખરી પડે તો તેથી તે અશુદ્ધ ન ગણાય. *** પરંતુ જો ટાલમાં આગળ કે પાછળ રતાશ પડતો સફેદ ડાઘ હોય તો ત્યાં કોઢ થયો છે એમ સમજવું. યજ્ઞકારે તેને તપાસવો. જો ટાલમાં રતાશ પડતો સફેદ ડાઘ હોય, તો યજ્ઞકાર તેના માથામાં થયેલા રોગને લીધે તેને અશુદ્ધ જાહેર કરે.” રક્તપિત્તિયાએ ફાટેલાં કપડાં પહેરવાં, વાળ ઓળાવવા નહિ, હોઠ સુધીનો ચહેરો ઢાંકી રાખવો અને પોકારવું “અશુદ્ધ છું, હું અશુદ્ધ છું” રોગ ચાલુ રહે ત્યાં સુધી તે અશુદ્ધ છે. તેણે છાવણી બહાર લોકોથી દૂર અલગ વસવાટ કરવો. “જ્યારે ફુગનો ડાઘ ઊન કે અળસી રેસાનાં વસ્ત્ર પર હોય અથવા અળસી રેસાના કે ઊનના તાણા કે વાણા પર હોય કે ચામડા પર કે તેમાંથી બનાવેલી વસ્તુ પર હોય, અને તેનો રંગ લીલો કે લાલ હોય તો તે પ્રસરતી ફૂગ છે તેમ સમજવું. યજ્ઞકાર પાસે તેની તપાસ કરાવવી. યજ્ઞકાર તેની તપાસ કરે અને સાત દિવસ સુધી તેને અલગ રાખે. સાતમે દિવસે તે તેને ફરીથી તપાસે. જો ફૂગ પ્રસરી હોય તો તે અશુદ્ધ છે. તેણે તે ફૂગવાળાં વસ્ત્ર કે વસ્તુ બાળી નાખવાં. કારણ, તે ખતરનાક અને ચેપી ફૂગ છે. એવાં વસ્ત્ર કે વસ્તુને અગ્નિમાં બાળી નાખીને તેનો અચૂક નાશ કરવો. “પરંતુ યજ્ઞકાર તપાસ કરે અને ફૂગ વધુ પ્રસરેલી માલૂમ પડે નહિ, તો પછી તેણે તે વસ્તુને ધોઈ નાખવાની આજ્ઞા કરવી. ત્યાર પછી બીજા સાત દિવસ સુધી તેને અલગ રાખવામાં આવે. વસ્તુ ધોઈ નાખ્યા પછી યજ્ઞકાર ફૂગના ડાઘની તપાસ કરે. જો ફૂગ પ્રસરી ન હોય, પણ તેનો રંગ બદલાયો ન હોય તો તે અશુદ્ધ છે. ફૂગ આગળ કે પાછળ હોય પણ તારે તે વસ્તુને બાળી નાખવી. પરંતુ જો તે વસ્તુને ધોઈ નાખ્યા પછી ફૂગનો ડાઘ ઝાંખો થયો હોય તોપણ કપડાં કે ચામડાં પરથી ડાઘવાળો ભાગ ફાડીને કાઢી લેવો. પછીથી જો ફરીથી ફૂગ દેખાય તો રોગ પ્રસરે છે તેમ માનવું અને તે વસ્તુને બાળી નાખવી. જો વસ્તુને ધોઈ નાખવાથી ફૂગનો ડાઘ જતો રહે તો તેને ફરીથી ધોઈ નાખવું એટલે તે વિધિગત રીતે શુદ્ધ થઈ જશે. “ઊન કે અળસીરેસાનાં કપડાંના તાણાવાણા પર કે ચામડાંની વસ્તુ પર ફૂગ લાગે તે અંગેનો આ નિયમ છે. તે પ્રમાણે વસ્તુને શુદ્ધ કે અશુદ્ધ જાહેર કરવામાં આવે.” પ્રભુએ મોશેને કહ્યું, “જો કોઈ માણસ રક્તપિત્તમાંથી સાજો થાય તો તેના શુદ્ધિકરણ માટે આ વિધિ છે. શુદ્ધિકરણને દિવસે એ માણસને યજ્ઞકાર પાસે લાવવો. યજ્ઞકાર તેને છાવણી બહાર લઈ જાય અને ત્યાં તે તેની તપાસ કરે. જો રોગ મટી ગયો હોય તો યજ્ઞકાર તેને માટે જીવતાં શુદ્ધ પક્ષીઓ અને તે સાથે ગંધતરુનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી મંગાવે. ત્યાર પછી યજ્ઞકાર તેમાંના એક પક્ષીને ઝરાના નિર્મળ પાણીથી ભરેલા માટીના કટોરામાં કાપવાની આજ્ઞા કરે. પછી તે બીજું જીવતું પક્ષી, ગંધતરુંનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી ઝરાના નિર્મળ પાણી પર કાપેલા પક્ષીના રક્તમાં બોળે. શુદ્ધિકરણ કરાવનાર પર યજ્ઞકારે સાતવાર રક્ત છાંટીને તેને શુદ્ધ જાહેર કરવો. પછી જીવતા પક્ષીને તેણે ખેતરમાં છોડી મૂકવું. શુદ્ધિકરણ કરાવનાર પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, પોતાના બધા વાળ કપાવે અને સ્નાન કરે તે પછી તે વિધિગત રીતે શુદ્ધ જાહેર થાય. ત્યાર પછી તે છાવણીમાં પ્રવેશી શકે. પરંતુ સાત દિવસ સુધી તેણે પોતાના તંબૂની બહાર રહેવાનું છે. સાતમે દિવસે તેણે પોતાના શરીરના બાકીના બધા વાળ કપાવવા, પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં અને સ્નાન કરવું. તે પછી તેને વિધિગત રીતે શુદ્ધ જાહેર કરવામાં આવે. “આઠમે દિવસે તે એક વર્ષના ખોડખાંપણ વગરના બે ઘેટા અને એક ઘેટી, ધાન્ય અર્પણ તરીકે તેલથી મોયેલો ત્રણ કિલો લોટ અને સાથે 300 ગ્રામ તેલ લાવે. ત્યાર પછી શુદ્ધિકરણ કરાવનાર વ્યક્તિ અને આ બધી વસ્તુઓ લઈને યજ્ઞકાર પ્રભુ સમક્ષ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે આવે. પછી યજ્ઞકાર દોષનિવારણબલિ તરીકે એક ઘેટાનું અને પેલા તેલનું પણ પ્રભુને અર્પણ ચડાવે. યજ્ઞકારના ભાગ તરીકે પ્રભુ આગળ તેનું આરતી-અર્પણ ચડાવે. “ત્યાર પછી પવિત્ર સ્થળે જ્યાં પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ કપાય છે ત્યાં તે ઘેટાંને કાપે. પ્રાયશ્ર્વિતબલિની માફક જ દોષનિવારણબલિ યજ્ઞકારનો ભાગ છે; તે અતિ પવિત્ર છે. પછી યજ્ઞકાર દોષનિવારણબલિનું રક્ત લઈ શુદ્ધિકરણ કરાવનારના જમણા કાનની બુટ્ટી પર અને જમણા હાથના તથા જમણા પગના અંગૂઠા પર લગાડે. પછી યજ્ઞકાર પેલા તેલમાંથી થોડું પોતાના ડાબા હાથની હથેલી પર રેડે. અને તેમાં પોતાની જમણી આંગળી બોળી પ્રભુની સમક્ષ સાતવાર તે છાંટે. પછી પોતાની હથેળીમાં બાકી રહેલા તેલમાંથી શુદ્ધિકરણ કરાવનારના જમણા કાનની બુટ્ટી પર અને જમણા હાથના તથા જમણા પગના અંગૂઠા પર એટલે જ્યાં દોષનિવારણ બલિનું રક્ત લગાડયું હતું તેના પર તે ચોપડે. પછી યજ્ઞકાર હથેલીમાં બાકી રહેલું તેલ શુદ્ધિકરણ કરાવનારના માથા પર લગાવે, અને એ પ્રમાણે તેને માટે પ્રભુ સમક્ષ શુદ્ધિકરણનો પ્રાયશ્ર્વિત વિધિ કરે. “ત્યાર પછી યજ્ઞકાર શુદ્ધિકરણ કરાવનારને માટે પ્રાયશ્ર્વિતબલિ ચડાવે. તે પછી દહનબલિનું પ્રાણી કાપે અને ધાન્યઅર્પણ સાથે તેનું યજ્ઞવેદી પર અર્પણ ચડાવે. આ પ્રમાણે યજ્ઞકાર શુદ્ધિકરણનો વિધિ પૂરો કરે એટલે પેલો માણસ શુદ્ધ થશે. “જો કોઈ માણસ ગરીબ હોય અને આ બધું ચડાવવાને સમર્થ ન હોય તો તેણે શુદ્ધિકરણ માટે દોષનિવારણ બલિ તરીકે એક જ ઘેટો લાવવો. યજ્ઞકારના ભાગ તરીકે પ્રભુ આગળ તેનું આરતીરૂપે અર્પણ કરવું. તેની સામે ધાન્યઅર્પણ તરીકે ફક્ત તેલથી મોયેલો એક કિલો લોટ અને ત્રણસો ગ્રામ તેલ લાવવું. તે સાથે તેણે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ તરીકે લાવવાં. પોતાના શુદ્ધિકરણના આઠમે દિવસે તેણે તે યજ્ઞકાર પાસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે પ્રભુ સમક્ષ લાવવાં. યજ્ઞકાર દોષનિવારણ બલિનો ઘેટો અને પેલું તેલ લઈને યજ્ઞકારના ભાગ તરીકે પ્રભુ આગળ તેનું આરતીરૂપે અર્પણ કરે. ત્યાર પછી તે ઘેટાંને કાપે અને તેમાંથી થોડું રક્ત લઈ શુદ્ધિકરણ કરાવનારના જમણા કાનની બુટ્ટી પર તથા જમણા હાથ અને જમણા પગના અંગૂઠા પર તે લગાડે. પછી તે થોડું તેલ પોતાના ડાબા હાથની હથેલી પર રેડે, અને પોતાના જમણા હાથની આંગળી વડે પ્રભુ સમક્ષ તે સાત વાર છાંટે. ત્યાર પછી હથેલીમાંથી બાકી રહેલું તેલ શુદ્ધિકરણ કરાવનારના જમણા કાનની બુટ્ટી પર તથા જમણા હાથ અને જમણા પગના અંગૂઠા પર એટલે જ્યાં દોષનિવારણબલિનું રક્ત લગાડયું હતું. તે જગ્યાઓ પર ચોપડવું. હાથમાં રહેલું બાકીનું તેલ શુદ્ધિકરણ કરાવનારના માથા પર રેડી પ્રભુ સમક્ષ તેને માટે શુદ્ધિકરણનો વિધિ કરવો. ત્યાર પછી યજ્ઞકારે હોલા કે કબૂતરનાં બચ્ચાંમાંથી એકને પ્રાયશ્ર્વિતબલિ અને બીજાને દહનબલિ તરીકે ચડાવવાં. તે સાથે ધાન્ય અર્પણ પણ ચડાવવું. આ રીતે યજ્ઞકાર શુદ્ધિકરણનો વિધિ પૂરો કરે. જો કોઈ વ્યક્તિ રક્તપિત્તમાંથી શુદ્ધિકરણ માટે નક્કી કરેલ બલિદાન ચડાવવાને સમર્થ ન હોય તેને માટે આ નિયમ છે.” પ્રભુએ મોશે અને આરોનને કહ્યું, “હું તમને વતન તરીકે કનાન દેશ આપવાનો છું. તમે તેમાં પ્રવેશ કરો પછી ઘરની ફૂગ અંગેનો આ નિયમ છે. *** જો કોઈના ઘરમાં હું ફૂગ મોકલું તો તેણે તરત જ યજ્ઞકારને ખબર આપવી. યજ્ઞકાર તેની તપાસ કરવા જાય તે પહેલાં ઘરનો બધો જ સરસામાન બહાર કાઢી નખાય; નહિ તો ઘરનું બધું જ અશુદ્ધ ગણાશે. “તે પછી યજ્ઞકાર ઘરની તપાસ કરવા અંદર પ્રવેશ કરે. તપાસમાં ઘરની દીવાલમાં લીલા કે લાલ ધાબાં ઊંડે સુધી દેખાય, તો તે ઘરમાંથી બહાર નીકળી જાય અને સાત દિવસ સુધી તે ઘર બંધ રાખે. સાતમે દિવસે ફરીથી યજ્ઞકાર ઘરની તપાસ કરે. જો એ ધાબાં દીવાલોમાં વધુ પ્રસર્યાં હોય, તો તેણે ફૂગ લાગેલા પથ્થરો કાઢી નખાવી શહેર બહાર અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવા જણાવવું. ત્યાર પછી તેણે અંદરની બધી દીવાલોનું પ્લાસ્ટર કઢાવી નાખવું અને તે કચરો શહેર બહાર અશુદ્ધ જગ્યાએ ફેંકાવી દેવો. કાઢી નાખેલા પથ્થરોની જગ્યાએ નવા પથ્થર બેસાડવા અને દીવાલ પર નવેસરથી પ્લાસ્ટર કરવું. “પથ્થરો કાઢી નાખ્યા પછી અને દીવાલોને ખોતરાવી નાખી ઘર નવેસરથી પ્લાસ્ટર કર્યા પછી તે ઘરમાં તેની ફરીથી તપાસ કરવી. જો તપાસ કરતાં રોગ ફેલાયો છે તેમ માલૂમ પડે તો તે ઘરને વિનાશક ફૂગ લાગેલી છે; તે અશુદ્ધ છે. તેને તોડી જ પાડવું અને તેના પથ્થરો, લાકડાં અને પ્લાસ્ટરનો કચરો શહેર બહાર અશુદ્ધ જગ્યાએ ફેંકી દેવો. ઘર બંધ હોય ત્યાં સુધી તેમાં કોઈ પ્રવેશ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. જો કોઈ તે ઘરમાં સૂઈ જાય કે જમવા બેસે તો તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. “અને જો યજ્ઞકાર ઘરમાં જઈને તપાસ કરે અને માલૂમ પડે કે પ્લાસ્ટર કર્યા પછી ફરીથી ફૂગ લાગી ન હોય તો ઘરને શુદ્ધ જાહેર કરવામાં આવે. કારણ, ફૂગ સંપૂર્ણપણે નાશ પામેલ છે. તે ઘરના શુદ્ધિકરણ માટે બે નાનાં પક્ષીઓ, ગંધતરુનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી લેવાં. એક પક્ષીને ઝરાના નિર્મળ પાણી ભરેલા માટીના કટોરામાં કાપવું. ત્યાર પછી ગંધતરુનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી તથા જીવંત પક્ષીને કાપેલા પક્ષીના રક્તમાં તથા ઝરાના નિર્મળ પાણીમાં બોળવા અને પછી ઘર પર તે સાત વાર છાંટવું. આ પ્રમાણે પક્ષીનું રક્ત, ઝરાનું નિર્મળ પાણી, જીવંત પક્ષી, ગંધતરુનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળીથી ઘરનું શુદ્ધિકરણ કરવું. પછી જીવંત પક્ષીને શહેર બહાર ખુલ્લા ખેતરમાં છોડી મૂકવું. આ રીતે તેણે ઘરના શુદ્ધિકરણનો વિધિ કરવો એટલે તે ઘર વિધિગત રીતે શુદ્ધ ગણાશે. “બધી જાતના ચામડીના રોગને માટે આ નિયમો છે; એટલે, રક્તપિત્ત, ઊંદરી, ચાઠું, દાઝી જવું. વળી વસ્ત્ર તથા ઘરની ફૂગ માટે આ નિયમો છે. *** કઈ વસ્તુ ક્યારે શુદ્ધ કે અશુદ્ધ ગણાય તે નક્કી કરવા માટે આ નિયમો છે.” પ્રભુએ મોશે અને આરોનને કહ્યું, “ઇઝરાયલના લોકોને આ પ્રમાણે કહે: જો કોઈ પુરુષની જનનેન્દ્રિયમાંથી સ્રાવ થાય તો તેનાથી તે અશુદ્ધ છે. પછી એ સ્રાવ નીકળતો હોય કે ઘટ્ટ થઈને રોકાઈ ગયો હોય તો પણ એ પુરુષ તેનાથી અશુદ્ધ છે. તેની પથારી અને બેઠક અશુદ્ધ ગણવામાં આવે. જો કોઈ તેની પથારીનો સ્પર્શ કરે કે તેની બેઠક પર બેસે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જે કોઈ તેનો સ્પર્શ કરે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જો સ્રાવવાળો કોઈ વ્યક્તિ પર થૂંકે તો તે વ્યક્તિ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જે કોઈ વાહન પર સ્રાવવાળો સવારી કરે તો તે વાહન અશુદ્ધ ગણાય. વળી, સ્રાવવાળો જેના પર બેઠો હોય તેનો જો કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જે કોઈ એવી વસ્તુ ઊંચકે તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જો સ્રાવવાળો માણસ હાથ ધોયા વગર કોઈને સ્પર્શે તો તેવા માણસે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવા, સ્નાન કરવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જો સ્રાવવાળો માટીના પાત્રનો સ્પર્શ કરે તો તેને ફોડી નાખવું અને લાકડાનાં પાત્રનો સ્પર્શ કરે તો તેને પાણીથી ધોઈ નાખવું. “સ્રાવવાળાનો સ્રાવ મટી જાય પછી શુદ્ધિકરણને માટે સાત દિવસ રાહ જોવી. પછી તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે અને ઝરણાંના ચોખ્ખા પાણીમાં સ્નાન કરે એટલે તે વિધિગત રીતે શુદ્ધ ગણાશે. આઠમે દિવસે તેણે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં લઈને પ્રભુ સમક્ષ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે આવી યજ્ઞકારને આપવાં. યજ્ઞકાર તેમાંથી એકનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજાનું દહનબલિ તરીકે અર્પણ ચડાવે. આ પ્રમાણે સ્રાવવાળાને માટે પ્રભુ સમક્ષ શુદ્ધિકરણનો વિધિ કરવો. “જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય તો તેણે આખે શરીરે સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. જે કોઈ વસ્ત્ર કે ચામડા પર વીર્ય પડે તેને પાણીથી ધોઈ નાખવું અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. સમાગમ કર્યા પછી પુરુષ અને સ્ત્રીએ સ્નાન કરવું અને તેઓ સાંજ સુધી અશુદ્ધ ગણાય. “ઋતુસ્રાવના સમયે સ્ત્રી સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. જે કોઈ તેનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. આ સાત દિવસ સુધી તેની પથારી અને બેઠક પણ અશુદ્ધ ગણાય. જો કોઈ તેની પથારીને સ્પર્શે તો તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. જો કોઈ તેની બેઠકનો સ્પર્શ કરે તો તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જો કોઈ તેની પથારી કે બેઠક પરની કોઈ વસ્તુનો સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જો કોઈ પૂરુષ તેની સાથે સમાગમ કરે તો તેના ઋતુસ્રાવની અશુદ્ધિ તેને લાગે અને તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. તેની પથારી પણ અશુદ્ધ ગણાય. “જો કોઈ સ્ત્રીને ઋતુસ્રાવના સમય સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુસ્રાવના સમય ઉપરાંત રક્તસ્રાવ ચાલુ રહે તો જ્યાં સુધી રક્તસ્રાવ થાય ત્યાં સુધી ઋતુસ્રાવના સમયની માફક જ તે અશુદ્ધ ગણાય. રક્તસ્રાવના બધા દિવસો સુધી તેની પથારી કે બેઠક ઋતુસ્રાવની પથારી કે બેઠકની માફક જ અશુદ્ધ ગણાય. જો કોઈ તેની પથારી કે બેઠકનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય. તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જો તેનો સ્રાવ બંધ થાય તો તે પછી સાત દિવસ સુધી તેણે રાહ જોવી અને ત્યાર પછી તે વિધિગત રીતે શુદ્ધ થાય. આઠમે દિવસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવીને તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તે યજ્ઞકારને આપવાં. યજ્ઞકાર તેમાંના એકને પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજાને દહનબલિ તરીકે ચડાવે. આ પ્રમાણે તેને માટે પ્રભુ સમક્ષ શુદ્ધિકરણનો વિધિ પૂરો કરવો.” પ્રભુએ મોશેને ઇઝરાયલના લોકને અશુદ્ધતા અંગે ચેતવણી આપવા કહ્યું, જેથી તેઓ મધ્યે આવેલા મુલાકાતમંડપને તેઓ અશુદ્ધ ન કરે. કારણ, જો એમ થાય તો તેઓ માર્યા જાય. સ્રાવવાળા અને વીર્યસ્રાવવાળા પુરુષ માટે તથા સ્ત્રીના ઋતુસ્રાવ માટે અને ઋતુસ્રાવ દરમ્યાન સ્ત્રી સાથે સમાગમ કરનાર પુરુષ માટે આ નિયમ છે. પ્રભુ સમક્ષ અપવિત્ર અગ્નિ ચડાવવાને લીધે આરોનના બે પુત્રો માર્યા ગયા ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “ તું તારા ભાઈ આરોનને કહે કે પરમ પવિત્રસ્થાનમાં પડદાની અંદરના ભાગમાં કરારપેટીના દયાસન આગળ તેણે નિયત સમયે જ આવવું; નહિ તો તે માર્યો જશે; કારણ, દયાસન પર વાદળ મધ્યે હું દર્શન દઉં છું. પ્રાયશ્ર્વિતબલિ તરીકે આખલો અને દહનબલિ તરીકે ઘેટો લાવ્યા પછી જ તેણે પરમપવિત્રસ્થાનમાં આવવું.” ત્યાર પછી પ્રભુએ નીચેની સૂચનાઓ આપી: “પરમપવિત્રસ્થાનમાં દાખલ થતાં પહેલાં આરોને સ્નાન કરવું અને પોતાનાં યજ્ઞકારનાં અળસીરેસાનાં શ્વેત અને પવિત્ર વસ્ત્રો એટલે ડગલો, જાંઘિયો, કમરપટ્ટો અને પાઘડી પહેરવાં. “ઇઝરાયલી સમાજ આરોનને પ્રાયશ્ર્વિતબલિ માટે બે બકરા અને દહનબલિ માટે એક ઘેટો આપે. તેણે પોતાનાં અને પોતાના કુટુંબનાં પાપ દૂર કરવાને માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે આખલાનું બલિદાન ચડાવવું. ત્યાર પછી તેણે મુલાકાત- મંડપના પ્રવેશદ્વાર પાસે પ્રભુ સમક્ષ બે બકરા લાવવા. ત્યાં તેણે ચિઠ્ઠી ઉપાડીને એક બકરો પ્રભુને માટે અને બીજો અઝાઝેલને માટે નક્કી કરવો. ત્યાર પછી તેણે પ્રભુને માટે નક્કી થયેલા બકરાનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અર્પણ કરવું. પછી અઝાઝેલને માટે નક્કી થયેલો બકરો પ્રભુ સમક્ષ જીવતો રજૂ કરવો અને લોકોનાં પાપ દૂર કરવાને માટે અઝાઝેલને માટેના બકરાને વેરાનપ્રદેશમાં મોકલી આપવો. “આરોન પોતાના અને પોતાના કુટુંબ માટે પ્રાયશ્ર્વિતબલિનો આખલો ચડાવે, ત્યારે વેદીમાંથી સળગતા અંગારા લઈ ધૂપદાની છલોછલ ભરવી અને તેની સાથે બે મૂઠી ભરીને બારીક પીસેલો સુવાસિત ધૂપ લઈને પરમપવિત્રસ્થાનમાં દાખલ થવું. પછી પ્રભુ સમક્ષ ધૂપને અગ્નિ પર નાખવો. તેથી સાક્ષ્યલેખની કરારપેટી પરનું દયાસન ધૂમાડાથી ઢંકાઈ જશે અને તે તેને જોઈ શકશે નહિ; અને એમ તે માર્યો જશે નહિ. ત્યાર પછી તેણે આખલાનું રક્ત લઈને પોતાની આંગળીથી દયાસનની ઉપર આગળની બાજુએ છાંટવું અને બાકીનું રક્ત સાતવાર પોતાની આંગળીથી સાક્ષ્યલેખની કરારપેટી પરના દયાસન સામે છાંટવું. “પછી તેણે લોકનાં પાપ માટેના પ્રાયશ્ર્વિતબલિના બકરાને કાપવો. તેનું રક્ત પરમપવિત્રસ્થાનમાં લાવવું અને આખલાના રક્તની માફક જ દયાસન ઉપર અને કરારપેટી સામે તેને છાંટવું. આ રીતે ઇઝરાયલી લોકની અશુદ્ધતા અને તેમનાં બધાં પાપથી પરમપવિત્રસ્થાનને મુક્ત કરવા તે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. એ જ રીતે ઇઝરાયલી લોકની મધ્યે આવેલા મુલાકાતમંડપને પણ અશુદ્ધતાથી મુક્ત કરવા તે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. આરોન પવિત્રસ્થાનમાં પોતાનાં, પોતાના કુટુંબનાં અને ઇઝરાયેલી સમાજનાં પાપ દૂર કરવાને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરવા પરમપવિત્ર- સ્થાનમાં જાય અને પાછો બહાર ન આવે ત્યાં સુધી કોઈએ મુલાકાતમંડપમાં પ્રવેશ કરવો નહિ. પછી તે બહાર આવીને પ્રભુ સમક્ષ યજ્ઞવેદી પાસે જાય અને તે વેદી માટે પણ પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. વાછરડા અને બકરાના રક્તમાંથી થોડું લઈ તેણે તે યજ્ઞવેદીનાં શિંગ પર લગાડવું. અને બાકીના રક્તમાંથી આંગળી વડે યજ્ઞવેદી પર તેનો સાત વાર છંટકાવ કરવો. આ રીતે યજ્ઞવેદીને ઇઝરાયલી લોકનાં પાપની અશુદ્ધિથી મુક્ત કરીને તેને પવિત્ર કરવી.” “આરોન જ્યારે પરમપવિત્રસ્થાન, મુલાકાતમંડપ અને યજ્ઞવેદી માટે પ્રાયશ્ર્વિતનો વિધિ પૂરો કરે, તે પછી તેણે અઝાઝેલ માટેના જીવતા રહેલા બકરાને લાવવો. તેણે તેના માથા પર પોતાના બન્‍ને હાથ મૂકીને ઇઝરાયલી લોકના બધા દોષ, અપરાધ અને પાપ કબૂલ કરી એ બધાં બકરાને માથે મૂકવાં. ત્યાર પછી પસંદ કરેલી વ્યક્તિ મારફતે તેને વેરાનપ્રદેશમાં મોકલી આપવો. આ બકરો લોકોના બધા અપરાધ વેરાનપ્રદેશમાં લઇ જશે. “બકરાને વેરાનપ્રદેશમાં મોકલી આપ્યા પછી આરોન મુલાકાતમંડપમાં પાછો આવે. પવિત્રસ્થાનમાં જતી વખતે પોતે પહેરેલાં યજ્ઞકારનાં વસ્ત્રો તે ત્યાં ઉતારી મૂકે. તેણે પવિત્રસ્થળે સ્નાન કરવું અને પોતાનાં બીજાં વસ્ત્રો પહેરી લેવાં. તે પછી તેણે બહાર જઈને પોતાનાં અને લોકોનાં પાપ માટે દહનબલિ ચડાવવો. પ્રાયશ્ર્વિત બલિની બધી ચરબીનું તેણે યજ્ઞવેદી પર દહન કરવું. જે માણસ અઝાઝેલ માટેના બકરાને વેરાનપ્રદેશમાં મૂકી આવે તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, સ્નાન કરવું અને તે પછી જ છાવણીમાં આવવું. પ્રાયશ્ર્વિતબલિ તરીકે ચડાવેલ આખલો અને બકરો કે જેમનું રક્ત પરમ પવિત્રસ્થાનમાં પાપ દૂર કરવાને માટે લઈ જવામાં આવ્યું હતું તેમને છાવણી બહાર લઈ જવા. તેમનું ચામડું, માંસ તથા આંતરડાં બધું જ બાળી મૂકવું. એ બધું બાળી નાખનારે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને સ્નાન કર્યા પછી જ છાવણીમાં પાછા ફરવું.” “આ નિયમ કાયમ માટે પાળવામાં આવે. સાતમા મહિનાના દસમે દિવસે ઇઝરાયલીઓએ અને તમારી મધ્યે વસતા પરદેશીઓએ ઉપવાસ કરવો અને કંઈ જ કામ કરવું નહિ. તે દિવસે તમારાં બધાં પાપ દૂર કરવાને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરવામાં આવશે. પ્રભુ સમક્ષ તમારાં બધાં પાપોથી તમને વિધિગત રીતે શુદ્ધ કરવામાં આવશે. તે દિવસ ખૂબ જ પવિત્ર એવો સાબ્બાથદિન છે. તે દિવસે ઉપવાસ કરવો અને કાંઈ કામ કરવું નહિ. આ નિયમ કાયમને માટે પાળવાનો છે. પાપ દૂર કરવા માટેનો પ્રાયશ્ર્વિતનો આ વિધિ પોતાના પિતાને સ્થાને વિધિપૂર્વક અભિષિક્ત થઈ પદપ્રતિષ્ઠા પામેલા પ્રમુખ યજ્ઞકારે જ કરવો. તેણે યજ્ઞકારનાં અળસીરેસાનાં શ્વેત પવિત્ર વસ્ત્રો પહેરવાં, અને પવિત્રસ્થાન, મુલાકાતમંડપ તથા યજ્ઞવેદી, યજ્ઞકારો અને સમગ્ર ઇઝરાયલી સમાજને માટે પ્રાયશ્ર્વિત માટે આ વિધિ કરવો. આ નિયમ કાયમને માટે પાળવાનો છે. ઇઝરાયલી લોકને તેમનાં બધાં પાપથી શુદ્ધ કરવાને માટે પ્રાયશ્ર્વિતનો આ વિધિ વર્ષમાં એક વાર કરવો.” તેથી મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું. પ્રભુએ મોશેને કહ્યું, “આરોન, તેના પુત્રો અને ઇઝરાયલી લોકોને કહે કે મેં પ્રભુએ આ આજ્ઞાઓ ફરમાવી છે: જો કોઈ ઇઝરાયલી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સિવાય અન્ય કોઈ સ્થળે આખલા, ઘેટાં કે બકરાનું અર્પણ ચડાવશે તો એ રક્તપાત માટે તે ગુનેગાર ગણાશે. એવા માણસનો સમાજમાંથી બહિષ્કાર કરવો. *** આ આજ્ઞાનો અર્થ એ છે કે અગાઉ ઇઝરાયલીઓ ખુલ્લા પ્રદેશમાં પ્રભુને યજ્ઞો ચડાવતા હતા; પરંતુ હવે તેમણે પ્રભુને અર્પણ કરવાનાં પ્રાણીઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે યજ્ઞકાર પાસે લાવવાં અને તેમનું સંગતબલિ તરીકે અર્પણ ચડાવવું. યજ્ઞકાર તેનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસેની યજ્ઞવેદી પર છાંટે અને બધી ચરબીનું યજ્ઞવેદી પર દહન કરે; એની સુવાસ પ્રભુને પ્રિય છે. ઇઝરાયલીઓએ હવેથી ખુલ્લા પ્રદેશમાં અન્ય દેવતાઓને યજ્ઞો ચડાવી પ્રભુ પ્રત્યે બેવફા બનવું નહિ. ઇઝરાયલ લોકોએ આ કાયમી નિયમ વંશપરંપરા પાળવાનો છે. “જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી દહનબલિ કે બીજો કોઈ યજ્ઞ, મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સિવાય અન્ય કોઈ સ્થળે પ્રભુને ચડાવે તો એવાનો પ્રભુના લોકોમાંથી બહિષ્કાર કરવો. “ જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી રક્ત સહિત માંસ ખાશે તો હું પ્રભુ તેની વિરુદ્ધ થઇ જઈશ અને હું તેનો મારા લોકમાંથી બહિષ્કાર કરીશ. દરેક સજીવ પ્રાણીનો જીવ તેના રક્તમાં છે. તેથી જ મેં પ્રભુએ લોકનાં પાપ દૂર કરવાને માટે યજ્ઞવેદી પર રક્ત રેડી પ્રાયશ્ર્વિત કરવા આજ્ઞા આપી છે. કારણ, રક્તમાં જીવ હોવાને લીધે માત્ર રક્તથી જ પાપ નિવારણ થાય છે. તેથી જ મેં પ્રભુએ ઇઝરાયલી લોકને અને તેઓ મધ્યે વસતા પરદેશીને રક્ત સહિત માંસ ન ખાવાની આજ્ઞા ફરમાવેલી છે. “જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી ખાવાલાયક પ્રાણી કે પક્ષીનો શિકાર કરે તો તેણે તેનું બધું રક્ત વહી જવા દેવું અને માટીથી તેને ઢાંકી દેવું. દરેક સજીવ પ્રાણીનો જીવ તેના રક્તમાં રહેલો છે અને તેથી જ ઇઝરાયલી લોકોને રક્ત સહિત માંસ ન ખાવાની આજ્ઞા આપેલી છે અને જો કોઈ તે પ્રમાણે ખાય તો તેનો બહિષ્કાર કરવામાં આવે. “જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી કુદરતી રીતે મૃત્યુ પામેલ કે જંગલી પ્રાણીએ ફાડી ખાધેલ પ્રાણીનું માંસ ખાય તો તે પોતાનાં વસ્ત્ર ધોઇ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી તે વિધિગત રીતે શુદ્ધ ગણાય. જો તે, તે પ્રમાણે ન કરે તો તેણે તેની સજા ભોગવવી પડશે.” પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલી લોકોને તું આ પ્રમાણે કહે: હું પ્રભુ તમારો ઇશ્વર છું. તમે જ્યાં વસતા હતા તે ઇજિપ્તના લોકની માફક તમે વર્તશો નહિ અથવા જ્યાં હું તમને લઈ જઉં છું તે કનાન દેશના લોકોના રિવાજો પાળશો નહિ. મારી આજ્ઞાઓનું પાલન કરો અને મારા નિયમોને અનુસરો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. તમારે મારા નિયમો અને મારાં ફરમાન પાળવાં; તેમનું પાલન કરવાથી તમે જીવતા રહેશો. હું પ્રભુ છું.” પ્રભુએ નીચે પ્રમાણેના નિયમો આપ્યા: “તમારે જેની સાથે લોહીની સગાઈ હોય તેવી સ્ત્રી સાથે સમાગમ કરવો નહિ; હું પ્રભુ છું. તમારે તમારી મા સાથે સમાગમ કરવો નહિ; એમાં તમારા બાપનું અપમાન છે. એ તમારી મા છે અને તમારે તમારી પોતાની માની ઇજ્જત લૂંટવી નહિ. તમારે તમારી મા સિવાયની બાપની અન્ય પત્નીઓ સાથે સમાગમ કરવો નહિ. એ તો તમારા બાપનું અપમાન કરવા બરાબર છે. તમારે તમારી બહેન કે સાવકી બહેન સાથે સમાગમ કરવો નહિ, પછી તેનો ઉછેર તમારી સાથે એક જ ઘરમાં થયો હોય કે નહિ. તમારે તમારી પૌત્રી સાથે સમાગમ કરવો નહિ. તે તો તમારી પોતાની જાતનું અપમાન કરવા બરાબર છે. તમારે તમારા બાપની પત્નીથી થયેલ પુત્રી સાથે સમાગમ કરવો નહિ; એ તો તમારી બહેન છે. તમારે તમારી ફોઈ સાથે સમાગમ કરવો નહિ; એને તમારા પિતા સાથે લોહીની સગાઈ છે. તમારે તમારી માસી સાથે સમાગમ કરવો નહિ; એને તમારી માતા સાથે લોહીની સગાઈ છે. તમારે તમારી કાકી સાથે સમાગમ કરવો નહિ; કારણ, એ તમારી કાકી છે. તમારે તમારી પુત્રવધુ સાથે સમાગમ કરવો નહિ; એ તો તમારા પુત્રની પત્ની છે; તેની આબરુ લેવી નહિ. તમારે તમારી ભાભી સાથે સમાગમ કરવો નહિ; તે તો તમારા ભાઈને કલંક લગાડયા બરોબર છે. તમારે કોઈ સ્ત્રી અને તેની પુત્રી બન્‍ને સાથે સમાગમ કરવો નહિ. તમારે એવી કે સ્ત્રીના પુત્રની પુત્રી કે પુત્રીની પુત્રી સાથે સમાગમ કરવો નહિ. એ તો એ સ્ત્રીના લોહીની સગાઈ છે; એ તો નરી ભ્રષ્ટતા છે. જ્યાં સુધી તમારી પત્ની જીવંત હોય ત્યાં સુધી સાળી સાથે લગ્ન ન કરવું કે સમાગમ પણ કરવો નહિ. તમારે ઋતુસ્રાવના સમય દરમ્યાન સ્ત્રી સમાગમ કરવો નહિ; કારણ, વિધિગત રીતે તે અશુદ્ધ છે. બીજા માણસની પત્ની સાથે સમાગમ કરવો નહિ, નહિ તો તમે વિધિગતરીતે અશુદ્ધ ગણાશો. “તમારે તમારા કોઈ બાળકને માનવબલિ તરીકે મોલેખને ચડાવવું નહિ. આ રીતની પૂજા પ્રભુ તમારા ઈશ્વરના નામને કલંક લગાડશે; હું પ્રભુ છું. તમારે કોઈ પુરુષ સાથે સમાગમ કરવો નહિ; પ્રભુ એવા વર્તનને ધિક્કારે છે. કોઈ પુરુષ કે સ્ત્રીએ કોઈ પ્રાણી સાથે સમાગમ કરવો નહિ; એ તો વિકૃતિ છે અને તે તમને વિધિગત રીતે અશુદ્ધ બનાવશે. “આ પ્રમાણેનાં કૃત્યો આચરીને તમે પોતાને અશુદ્ધ કરશો નહિ. તમારા વસવાટ માટે હું જે પ્રજાઓને હાંકી કાઢવાનો છું તે આ જ બાબતો સંબંધી અશુદ્ધ થયેલી હતી. તેમનાં કાર્યોથી દેશ અશુદ્ધ થઈ ગયો હોવાથી હું તેમના અપરાધની સજા દેશ પર લાવીશ અને દેશ તેના રહેવાસીઓને ઓકી કાઢશે. તેથી તમારે મારા નિયમો અને ફરમાનોનું પાલન કરવું. તમારામાંથી કોઈએ પણ, પછી તે ઇઝરાયલી હોય કે તમારી મધ્યે વસતો પરદેશી હોય, આમાંનું કોઈ ધિક્કારપાત્ર કૃત્ય આચરવું નહિ. તમારા પહેલાં આ દેશમાં જે પ્રજાઓ વસતી હતી તેઓ આવાં પ્રકારનાં ધિક્કારપાત્ર કૃત્યો આચરતી હતી અને તેથી દેશ અશુદ્ધ થઈ ગયો. જો હવેથી તમે તમારા પહેલાં વસતી પ્રજાઓની જેમ દેશને અશુદ્ધ બનાવશો તો તે તમને પણ ઓકી કાઢશે. જો કોઈ આ ધિક્કારપાત્ર કૃત્યોમાંનું કોઈનું આચરણ કરે તો સમાજમાંથી તેનો બહિષ્કાર કરવો.” પ્રભુએ કહ્યું, “મારી આજ્ઞાઓનું પાલન કરો. તમારા પહેલાનાં લોકોના ધિક્કારપાત્ર રિવાજો પાળશો નહિ; નહિ તો તેથી તમે તમારી જાતને અશુદ્ધ બનાવશો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.” પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલના સમગ્ર સમાજને આ પ્રમાણે કહે: તમે પવિત્ર થાઓ, કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર પવિત્ર છું. દરેકે પોતાનાં માતાપિતાનું સન્માન કરવું અને મારા સાબ્બાથદિન પાળવા. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.” “મારાથી વિમુખ થઈને તમે મૂર્તિપૂજા કરશો નહિ અને ધાતુની મૂર્તિઓ બનાવશો નહિ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું.” “મને પ્રભુને તમે સંગતબલિ ચડાવો ત્યારે તે માટે મેં આપેલા નિયમો પ્રમાણે તે ચડાવજો; જેથી તમારાં અર્પણનો સ્વીકાર થાય. જે દિવસે અર્પણ ચડાવો તે જ દિવસે અથવા પછીના દિવસે તેનું માંસ ખાવું જોઈએ. ત્રીજે દિવસે બાકી રહેલું બધું બાળી નાખવામાં આવે. કારણ, તે વિધિગત રીતે અશુદ્ધ છે અને જો કોઈ તેમાંથી ખાય તો તેનું અર્પણ હું સ્વીકારીશ નહિ. જો કોઈ તેને ખાય તો તેણે તેની સજા ભોગવવી પડશે. કારણ, તેણે પ્રભુને સમર્પિત અર્પણને ભ્રષ્ટ કર્યું છે. એવા માણસનો સમાજમાંથી બહિષ્કાર કરવો. “કાપણી વખતે પાક છેક છેડા સુધી કાપી ન લેવો. વળી, લણણી પછી રહી ગયેલાં ડૂંડાં કાપી લેવાં નહિ. દ્રાક્ષવેલાની એકેએક દ્રાક્ષ ઉતારી ન લેવી અને નીચે પડેલી દ્રાક્ષ પણ લઈ ન લેવી. ગરીબ અને પરદેશીઓ માટે તે રહેવા દેવી. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. “તમારે ચોરી ન કરવી, જૂઠું બોલવું નહિ, એકબીજાને છેતરવા નહિ. મારા નામના જૂઠા સોગંદ ખાવા નહિ અને એ રીતે મારા નામનું અપમાન કરવું નહિ. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. *** “કોઈનું શોષણ કરવું નહિ કે તેને લૂંટી લેવો નહિ. મજૂરની મજૂરી એક રાત સુધી પણ બાકી રાખવી નહિ. બહેરાને શાપ આપવો નહિ. આંધળાના માર્ગમાં ઠોકર મૂકવી નહિ. મારી બીક રાખો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. “ન્યાયની બાબતમાં પ્રામાણિક રહેવું. ગરીબનો ખોટી રીતે બચાવ કરવો નહિ કે શ્રીમંતની શરમ રાખવી નહિ. કોઇની જૂઠી ચાડી કરવી નહિ. કોઈના પર ખોટો આરોપ મૂકી તેના જીવને જોખમમાં મૂકવો નહિ. હું પ્રભુ છું. “કોઈના વિષે મનમાં કિન્‍નાખોરી રાખવી નહિ, પણ નિખાલસતાથી તેને તેનો દોષ બતાવવો; જેથી તેને લીધે તું પાપમાં પડે નહિ. કોઈના પર વેર વાળવું નહિ કે તેને કાયમને માટે ધિક્કારવો નહિ. પરંતુ બીજાઓ પર પોતાની જાત જેટલો જ પ્રેમ રાખવો; હું પ્રભુ છું. “મારી આજ્ઞાઓનું પાલન કરો. એક જાતનાં પ્રાણીઓનું બીજી જાતનાં પ્રાણીઓ પાસે મિશ્ર ગર્ભાધાન કરાવવું નહિ. ખેતરમાં એક સાથે બે જાતનાં બી વાવવાં નહિ. બે જાતના રેસામાંથી વણેલું મિશ્ર કાપડ પહેરવું નહિ. “જો કોઈ ગુલામ છોકરીને બીજા પુરુષને વેચી દેવામાં આવી હોય, પણ ખરીદનાર પુરુષે તેનું મૂલ્ય ચૂકવ્યું ન હોય અને એવી છોકરી સાથે કોઈ સમાગમ કરે તો તે બન્‍નેને સજા કરવી, પણ તેમને મારી નાખવાં નહિ. કારણ, તે ગુલામ છોકરી માલિકથી સ્વતંત્ર ન હતી. તે માણસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે દોષનિવારણબલિનો ઘેટો પ્રભુને માટે લઈ આવવો. અને યજ્ઞકાર તે માણસનું પાપ દૂર કરવાને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે એટલે તે માણસને ક્ષમા કરવામાં આવશે. “જ્યારે તમે કનાન દેશમાં પ્રવેશ કરો અને ફળઝાડ રોપો તો ત્રણ વર્ષ માટે તમારે તેનાં ફળ વિધિગત રીતે અશુદ્ધ ગણવાં અને તે દરમ્યાન તે ફળ તમારે ખાવાં નહિ. ચોથા વર્ષે તેનાં ફળ પ્રભુનો આભાર માનવાને માટે અર્પણ કરવાં. પાંચમે વર્ષે તેનાં ફળ તમે ખાઈ શકો. જો તમે આ પ્રમાણે કરશો તો તમારાં ફળઝાડનો ફાલ ખૂબ જ વધશે. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. “તમારે રક્ત સહિત માંસ ખાવું નહિ. મંત્રવિદ્યા વાપરવી નહિ કે જોષ જોવા નહિ. તમારા માથાની બાજુના વાળ કપાવવા નહિ કે દાઢીના ખૂણા કપાવવા નહિ. કોઈના અવસાનના શોકમાં શરીર પર ઘા કરવા નહિ કે શરીરે છાપ છૂંદાવવી નહિ. હું પ્રભુ છું. “તમારી પુત્રીઓને મંદિરની દેવદાસી બનાવી ભ્રષ્ટ કરશો નહિ. એમ કરવાથી તમે અન્ય દેવો તરફ ફરી જશો અને આખો દેશ વેશ્યાગમન કરતો થઈ જશે અને ભ્રષ્ટતાથી ભરપૂર થઈ જશે. “તમે મારા સાબ્બાથદિન પાળો અને મારા પવિત્રસ્થાનને માન આપો. હું પ્રભુ છું. “મૃતાત્માઓ સાથે વાતચીત કરીને સલાહ આપનારા ભૂવાઓ પાસે જવું નહિ. જો તેમ કરશો તો તમે વિધિગત રીતે અશુદ્ધ ગણાશો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. “વૃદ્ધોને માન આપો, અને મારી બીક રાખો; હું પ્રભુ છું. “તમારી મધ્યે વસતા પરદેશીને હેરાન કરશો નહિ. તેને જાતભાઈ જેવો જ ગણો અને તેના પર તમારી જાત જેટલો જ પ્રેમ રાખો. કારણ, ઇજિપ્તમાં તમે પણ એકવાર પરદેશી હતા. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. “લંબાઈ કે વજન કે તોલના માપમાં કોઈને છેતરશો નહિ. “તમારે સાચાં ત્રાજવાં, સાચાં વજન અને સાચાં માપ વાપરવાં. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. મેં તમને ઈજિપ્તમાંથી મુક્ત કર્યા છે. મારા બધા નિયમો અને આજ્ઞાઓ પાળજો. હું પ્રભુ છું.” પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલ લોકને આ પ્રમાણે કહે: કોઈ ઇઝરાયલી અથવા તમારી મધ્યે વસતો પરદેશી પોતાનાં બાળકોને મોલેખ દેવને બલિ ચડાવવા આપે તો સમગ્ર સમાજે તેને પથ્થરે મારી નાખવો. જો કોઈ વ્યક્તિ મોલેખ દેવને પોતાના બાળકનો બલિ ચડાવે અને એ રીતે મારા પવિત્રસ્થાનને અને મારા નામને કલંક લગાડે તો હું તેની વિરુદ્ધ થઈશ અને મારા લોકમાંથી તેનો બહિષ્કાર કરીશ. જો ઇઝરાયલી સમાજ તે પ્રત્યે ધ્યાન ન આપે અને તેને મારી નાખે નહિ, તો હું તેની, તેના કુટુંબની અને તેની સાથે એમાં ભળી જનારાઓની વિરુદ્ધ થઈશ. તેમણે મારા પ્રત્યેની તેમની વફાદારીનો ત્યાગ કરીને મોલેખ દેવની પૂજા કરી છે તે માટે મારા લોક મધ્યેથી હું તેમનો બહિષ્કાર કરીશ. “જો કોઈ મૃતાત્માઓ સાથે વાતચીત કરી સલાહ આપનાર ભૂવા પાસે જાય તો હું તેની વિરુદ્ધ થઈશ અને મારા લોક મધ્યેથી હું તેનો બહિષ્કાર કરીશ. તમે પોતાને પવિત્ર રાખો. કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું. તમે મારા નિયમો પાળો; કારણ, તમને પવિત્ર કરનાર હું પ્રભુ છું. “પોતાનાં માતાપિતાને શાપ આપનારને મારી નાખવો. તેના ખૂનની જવાબદારી તેને પોતાને જ શિર રહેશે. “જો કોઈ પુરુષ બીજા પુરુષની પત્ની સાથે વ્યભિચાર કરે તો તે બન્‍નેને મારી નાખવાં. જો કોઈ પોતાના પિતાની પત્ની સાથે સમાગમ કરે તો તેણે તેના પિતાનું અપમાન કર્યું છે. તે બન્‍નેને મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને શિર રહેશે. જો કોઈ પોતાની પુત્રવધૂ સાથે સમાગમ કરે તો તે બન્‍નેને મારી નાખવાં. તેમણે અજુગતું કાર્ય કર્યું છે. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને જ શિર રહેશે. જો કોઈ પુરુષ બીજા પુરુષની સાથે સ્ત્રીની માફક સમાગમ કરે તો તેમણે ઘણું ધિક્કારપાત્ર કાર્ય કર્યું છે. તેમને મારી નાખવા. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને જ શિર રહેશે. જો કોઈ પુરુષ સ્ત્રીને અને તેની માને બન્‍નેને પરણે તો એ નરી દુષ્ટતા છે. તે ત્રણેને અગ્નિમાં બાળી નાખવાં. તમારી મધ્યે આવી દુષ્ટતા ન હોવી જોઈએ. જો કોઈ પુરુષ કોઈ પ્રાણીની સાથે સમાગમ કરે તો તે બન્‍નેને મારી નાખવાં. જો કોઈ સ્ત્રી પ્રાણીની સાથે સમાગમ કરવા પ્રયત્ન કરે તો તે બન્‍નેને મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને જ શિર રહેશે. “જો કોઈ પુરુષ પોતાની બહેનને એટલે પિતાની કે માતાની પુત્રીને પરણે અને તેની સાથે સમાગમ કરે તો તે ધિક્કારપાત્ર કાર્ય છે. તેમને જાહેરમાં મારી નાખવાં. તેણે પોતાની બહેન સાથે સમાગમ કર્યો છે, એટલે તેમણે તેની સજા ભોગવવી જ રહી. જો કોઈ પુરુષ ઋતુસ્રાવ દરમ્યાન સ્ત્રી સાથે સમાગમ કરે તો તે અંગેના નિયમનો ભંગ કરવા બદલ તે બન્‍નેનો સમાજમાંથી બહિષ્કાર કરવો. “જો કોઈ પુરુષ માસી કે ફોઈ સાથે સમાગમ કરે તો નજીકના સગાની આબરુ લીધી કહેવાય. તેના પાપની સજા તેણે ભોગવવી જ રહી. જો કોઈ કાકીની સાથે સમાગમ કરે તો તેણે ક્કાને કલંક લગાડયું છે. તેમને સજા થવી જ જોઈએ. તેઓ જીવનપર્યંત નિ:સંતાન રહેશે. જો કોઈ પુરુષ પોતાની ભાભીને પરણે તો તેણે વિધિગત રીતનું અશુદ્ધ કાર્ય કર્યું છે. તેણે પોતાના ભાઈને કલંક લગાડયું છે. તે બન્‍ને નિ:સંતાન રહેશે.” પ્રભુએ કહ્યું, “તમે મારા નિયમો અને આજ્ઞાઓ પાળજો; જેથી હું જ્યાં તમને લઈ જઉં છું તે કનાન દેશ તમને ઓકી કાઢે નહિ. ત્યાં વસતાં લોકોના રીતરિવાજો તમારે સ્વીકારવા નહિ. તેમનાં એ દુષ્ટ કૃત્યોને લીધે હું તેમને ધિક્કારું છું અને તે માટે હું તેમને ત્યાંથી હાંકી કાઢું છું. મેં તમને મારા વચન પ્રમાણે દૂધ અને મધની રેલમછેલવાળો ફળદ્રુપ પ્રદેશ આપ્યો છે. હું પ્રભુ, તમારો ઈશ્વર છું અને બીજી પ્રજાઓથી મેં તમને અલગ કર્યાં છે. તેથી તમારે ખાવાલાયક અને અશુદ્ધ પ્રાણીઓ તેમજ પક્ષીઓ વચ્ચેનો ભેદ રાખવાનો છે. અશુદ્ધ પ્રાણીઓ કે પક્ષીઓ ખાશો નહિ. મેં તેમને અશુદ્ધ જાહેર કર્યાં છે અને તે ખાવાથી તમે અશુદ્ધ થશો. તમારે મારા પવિત્ર લોક બનવાનું છે. કારણ, હું પ્રભુ છું અને હું પવિત્ર છું. મેં તમને બીજી પ્રજાઓથી અલગ કર્યા છે, જેથી તમે ફક્ત મારા જ બની રહો.” “જો કોઈ પુરુષ કે સ્ત્રી મૃતાત્મા- ઓનો સંપર્ક સાધે અને સલાહ લે તો તેમને પથ્થરે મારી નાખવાં. તેમના ખૂનની જવાબદારી તેમને શિરે રહેશે.” પ્રભુએ મોશેને કહ્યું, “આરોનવંશી યજ્ઞકારોને કહે: કોઈ યજ્ઞકારે સ્નેહીજનનું મૃત્યુ થાય તો તેના શબ પાસે જઈને અથવા શબને અડકીને વિધિગત રીતે પોતાને અશુદ્ધ કરવો નહિ. તેમાં આટલાં નિકટનાં સગાં વિષે અપવાદ છે: માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ અને પોતાના ઘરમાં રહેતી કુંવારી સગી બહેન. લગ્નસંબંધને લીધે સગપણમાં આવેલાં સગાંનાં મૃત્યુ વખતે શબને સ્પર્શીને તેણે પોતાને અશુદ્ધ કરવો નહિ. “કોઈ યજ્ઞકારે શોક પ્રદર્શિત કરવા માથું મુંડાવવું નહિ કે દાઢી કપાવવી નહિ કે શરીરને ઘાયલ કરવું નહિ. તેણે પવિત્ર રહેવું જોઈએ. તેણે મારા નામને કલંક લગાડવું નહિ. તે મને ધાન્યઅર્પણ ચડાવે છે માટે તેણે પવિત્ર રહેવું જ જોઈએ. યજ્ઞકારે વેશ્યા, કૌમાર્યવિહીન કે છૂટાછેડા પામેલી સ્ત્રી સાથે લગ્ન કરવું નહિ; કારણ, યજ્ઞકાર ઈશ્વરને સમર્પિત થયેલો છે. લોકોએ યજ્ઞકારને પવિત્ર ગણવો જોઈએ. કારણ, તે મને ધાન્યઅર્પણ ચડાવે છે. હું પ્રભુ છું. હું પવિત્ર છું અને હું મારા લોકને પવિત્ર બનાવું છું. જો કોઈ યજ્ઞકારની પુત્રી વેશ્યા બને તો તેથી તે પોતાના પિતાને કલંક લગાડે છે; તેને અગ્નિમાં બાળી નાખવી. “પ્રમુખ યજ્ઞકારના શિર પર અભિષેકનું તેલ રેડાયેલું છે અને તે યજ્ઞકારનો પોષક પહેરવા માટે સમર્પિત કરાયેલો છે. તેથી તેણે પોતાના વાળ છૂટા રાખવા નહિ કે વસ્ત્ર ફાડીને શોક પ્રદર્શિત કરવો નહિ. પ્રમુખ યજ્ઞકારના કોઈ સગાનું અવસાન થાય, પછી ભલે તે તેના પિતાનું કે માતાનું હોય તોપણ તે મને સમર્પિત થયેલો હોવાથી તેણે જ્યાં શબ રાખવામાં આવ્યું છે તે ઘરમાં પ્રવેશ કરવો નહિ અને ત્યાં મારા પવિત્રસ્થાનમાંથી બહાર જઈને તેને ભ્રષ્ટ કરવું નહિ. *** તેણે કુંવારી કન્યા સાથે લગ્ન કરવું. પરંતુ વિધવા, લગ્ન વિચ્છેદ પામેલી સ્ત્રી કે વેશ્યા સાથે તેણે લગ્ન કરવું નહિ. તેણે પોતાના કુળની કુંવારી સાથે જ લગ્ન કરવું. નહિ તો તેનાં સંતાનો પવિત્ર રહેવાને બદલે વિધિગત રીતે અશુદ્ધ થઈ જશે. હું પ્રભુ છું અને મેં પ્રમુખ યજ્ઞકારને મારી સેવાને માટે અલગ કરેલો છે.” પ્રભુએ મોશેને કહ્યું, “તું આરોનને આમ કહે: ખોડખાંપણવાળા એવા તારા કોઈપણ વંશજે મને ધાન્યઅર્પણ ચડાવવું નહિ. આ વંશપરંપરાગત પાળવાનો નિયમ છે. *** શારીરિક ખોડવાળાએ, એટલે આંધળો, લૂલો, નાનાં, મોટાં કે વધુ અંગવાળો, ઠૂંઠો કે લંગડો, ખૂંધો કે ઠીંગણો, આંખ કે ચામડીના રોગવાળો અને વ્યંડળ એવા કોઈએ મને અર્પણ ચડાવવું નહિ. આરોનવંશી કોઈપણ યજ્ઞકારને કોઈ શારીરિક ખોડ હોય તો તેણે મારી સમક્ષ આવીને મને અગ્નિબલિ ચડાવવા નહિ. એવી ખોડ ધરાવનાર વ્યક્તિ ઈશ્વરને અર્પિત રોટલીનું અર્પણ ચડાવવા પણ નજીક આવે નહિ. તે ઈશ્વરને અર્પિત રોટલીમાંથી અને અતિપવિત્ર તથા પવિત્ર અર્પણોમાંથી ખાઈ શકે; પણ પડદાની કે વેદીની નજીક આવે નહિ; કારણ, તેને શારીરિક ખોડ છે. તે મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કરે નહિ; કારણ, હું તેમને પવિત્ર કરનાર પ્રભુ છું.” મોશેએ આરોન, તેના પુત્રો અને સર્વ ઇઝરાયલીઓને એ પ્રમાણે જણાવ્યું. પ્રભુએ મોશેને કહ્યું, “આરોન અને તેના પુત્રોને કહે: ઇઝરાયલી લોક મને જે પવિત્ર યજ્ઞો ચડાવે છે તેની પવિત્રતા તેઓ જાળવે; અને મારા પવિત્ર નામને અપમાનિત કરે નહિ; હું પ્રભુ છું. જો કોઈ આરોનવંશી યજ્ઞકાર પોતે અશુદ્ધ હોવા છતાં ઇઝરાયલી લોક મને જે પવિત્ર અર્પણો ચડાવે છે તેમની નજદીક આવે તો તેણે કદી મારી વેદીની સેવા કરવી નહિ. આ તો વંશપરંપરાગત પાળવાનો કાયમી નિયમ છે. હું પ્રભુ છું. “જો કોઈ આરોનવંશી યજ્ઞકારને રક્તપિત્ત કે સ્રાવનો રોગ હોય તો તે પાછો વિધિગત રીતે શુદ્ધ થયા વગર પવિત્ર અર્પણોમાંથી કંઈ ખાય નહિ. જે યજ્ઞકાર શબના સ્પર્શથી અશુદ્ધ થયેલ વસ્તુને અડકે અથવા જેને વીર્યસ્રાવ થતો હોય તેવા પુરુષને અડકે અથવા પેટે ચાલતાં કોઈ અશુદ્ધ પ્રાણી કે કોઈ પક્ષી કે કોઈ માણસનો સ્પર્શ કરે તો એવી કોઈપણ અશુદ્ધિને લીધે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી સ્નાન કર્યા વગર તે પવિત્ર અર્પણમાંથી કશું ખાઈ શકે નહિ. સૂર્યાસ્ત પછી તે શુદ્ધ છે; એટલે તે પવિત્ર અર્પણોમાંથી ખાઇ શકે; કારણ, તે તો યજ્ઞકારો માટેનો ખોરાક છે. યજ્ઞકારે કુદરતી રીતે મૃત્યુ પામેલ કે જંગલી પ્રાણીએ ફાડી ખાધેલ પ્રાણીનું માંસ ખાવું નહિ. તેનાથી તે અશુદ્ધ થશે. હું પ્રભુ છું. “દરેક યજ્ઞકારે મેં આપેલા નિયમોનું પાલન કરવાનું છે; નહિ તો તેઓ પવિત્ર નિયમોનો ભંગ કર્યાને લીધે દોષિત ઠરીને માર્યા જશે. હું પ્રભુ છું અને હું તેમને પવિત્ર બનાવું છું. “ફક્ત યજ્ઞકાર કુટુંબની વ્યક્તિ જ પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે, બીજું કોઈ તેમાંથી ખાય નહિ; પછી તે યજ્ઞકારનો મહેમાન કે મજૂર હોય. પરંતુ યજ્ઞકારે વેચાતો લીધેલો અથવા તેના ઘરમાં જન્મેલો ગુલામ હોય તો તે યજ્ઞકારના ખોરાકમાંથી ખાય. યજ્ઞકારની પુત્રી યજ્ઞકારના કુટુંબનો ન હોય એવા પુરુષ સાથે લગ્ન કરે તો તે પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે નહિ. પરંતુ તે વિધવા થઈ હોય કે લગ્નવિચ્છેદ કર્યો હોય અને નિ:સંતાન હોય અને પોતાના પિતાના ઘરમાં આશ્રિત તરીકે પાછી રહેવા આવી હોય તો પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે; પણ કુટુંબ બહારની કોઈ વ્યક્તિએ તે ખાવાનું નથી. “યજ્ઞકાર કુટુંબનો ન હોય તેવો કોઈ માણસ પવિત્ર અર્પણમાંથી જો અજાણતાં ખાય તો તેણે યજ્ઞકારને તેની પૂરેપૂરી કિંમત આપી દેવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા. યજ્ઞકારોએ પવિત્ર અર્પણની વસ્તુ બીજા કોઈ બીનઅધિકૃત માણસને ખાવા આપીને તેને ભ્રષ્ટ કરવી નહિ; નહિ તો તે ખાનાર પર તેનો દોષ અને સજા આવશે. હું પ્રભુ છું અને હું અર્પણને પવિત્ર કરનાર પણ છું.” પ્રભુએ મોશેને કહ્યું, “આરોન, તેના પુત્રો અને ઇઝરાયલ લોકને કહે: જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી પોતાની માનતા પૂરી કરવા કે સ્વૈચ્છિક રીતે દહનબલિ ચડાવે, *** તો તે ગોપશું, ઘેટાં કે બકરાંમાંથી ખોડખાંપણ વગરનું અને નર પ્રાણી હોવું જોઈએ, અને તો જ તે માન્ય કરવામાં આવશે. જો તમે ખોડવાળું પ્રાણી ચડાવશો તો હું પ્રભુ તેનો સ્વીકાર કરીશ નહિ. જો કોઈ માનતા પૂરી કરવા કે સ્વૈચ્છિક રીતે પ્રભુને સંગતબલિ ચડાવે તો તે આખલા કે ઘેટાંમાંથી ખોડખાંપણ વગરનું હોવું જોઈએ, અને તો જ તે સ્વીકારવામાં આવશે. તમારે આંધળું, લૂલું, તૂટેલા અંગવાળું, પાકેલા ગૂમડાવાળું, ખરજવાવાળું કે ખુજલીવાળું પ્રાણી પ્રભુને ચડાવવું નહિ. અગ્નિબલિ તરીકે યજ્ઞવેદી પર આવું પ્રાણી ચડાવવું નહિ. સ્વૈચ્છિકબલિ તરીકે વાછરડા કે ઘેટામાંથી તમે ઠીંગણું કે વિરૂપ પ્રાણી ચડાવી શકો, પરંતુ માનતા પૂરી કરવા માટેના બલિમાં તેવું પ્રાણી સ્વીકારાશે નહિ. જેનાં વૃષણ છૂંદેલા, કચડેલાં, ચીરેલાં કે કાપી નાખેલાં હોય તેવા પ્રાણીનું તમારે પ્રભુને બલિદાન કરવું નહિ. તમારા દેશમાં એવાંને ચડાવવાની તમને પરવાનગી નથી. “તમારે પરદેશી પાસેથી પણ આવું કોઈ પ્રાણી લઈને પ્રભુને બલિદાન તરીકે ચડાવવું નહિ. આવાં પ્રાણીઓ તો ખામીવાળાં છે અને તેથી તેનો સ્વીકાર કરવામાં આવશે નહિ.” પ્રભુએ મોશેને કહ્યું, “જ્યારે કોઈ વાછરડું, હલવાન કે લવારું જન્મે ત્યારે સાત દિવસ તેને તેની માતા સાથે રાખવું; આઠમા દિવસ પછી તેનો અગ્નિબલિ તરીકે સ્વીકાર થશે. *** એક જ દિવસે કોઈ ગાય, ઘેટી, બકરી અને તેમની સાથે તેમનાં બચ્ચાંને યજ્ઞમાં કાપવાં નહિ. જ્યારે તમે પ્રભુને આભારબલિ ચડાવો ત્યારે નિયમ પ્રમાણે તમારે તે જ દિવસે તે ખાવું, અને બીજા દિવસની સવાર સુધી તેમાંથી કંઈ બાકી રાખવું નહિ; હું પ્રભુ છું.” પ્રભુએ કહ્યું, “મારી આજ્ઞાઓ પાળો અને તેનો અમલ કરો; હું પ્રભુ છું. તમે મારા પવિત્ર નામને કલંક લગાડશો નહિ. બધા ઇઝરાયલી લોકોએ મારી પવિત્રતા જાળવવાની છે. હું પ્રભુ છું અને હું તમને પવિત્ર બનાવું છું. તમારો ઈશ્વર થવાને માટે મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે. હું પ્રભુ છું.” પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલી લોકોને તું આ પ્રમાણે કહે: આ મારાં ધાર્મિક પર્વો છે. તે સમયે તમારે પ્રભુના ભજનને માટે સંમેલન ભરવાનાં છે. “છ દિવસ તમારે કામ કરવાનું છે. પરંતુ યાદ રાખો કે સાતમો દિવસ એટલે સાબ્બાથ તો આરામનો દિવસ છે. તે દિવસે કંઈ રોજિંદું કામ કરો નહિ. પણ પ્રભુનું ભજન કરવા એકત્ર થાઓ. તમે ગમે ત્યાં વસતા હો પણ સાબ્બાથ તો પ્રભુને સમર્પિત દિવસ છે. “તમારે નીચેનાં પર્વો તેમના નિયત સમયે ઊજવવાનાં છે.: “પ્રભુના માનમાં ઊજવવાનું પાસ્ખાપર્વ પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી શરૂ થાય છે. એ જ માસના પંદરમા દિવસથી ખમીરરહિત રોટલીનું પર્વ શરૂ થાય છે. સાત દિવસ સુધી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી. પ્રથમ દિવસે તમારે પ્રભુના ભજનને માટે સંમેલન રાખવું અને ત્યારે રોજીંદુ કાર્ય કરવું નહિ. સાત દિવસ સુધી તમારે પ્રભુને અગ્નિબલિ ચડાવવા. સાતમે દિવસે તમારે ફરીથી પ્રભુના ભજનને માટે સંમેલન રાખવું અને રોજિંદું કાર્ય કરવું નહિ.” પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલી લોકને આ પ્રમાણે કહે: જે દેશ પ્રભુ તમને આપે તેમાં તમે પ્રવેશ કરો અને પછી કાપણી કરો ત્યારે તમારે તમારી ફસલનો પ્રથમ પૂળો યજ્ઞકાર પાસે લઈ જવો. *** યજ્ઞકાર તેને આરતી-અર્પણ તરીકે પ્રભુને ચડાવે એટલે તમારો સ્વીકાર થશે. સાબ્બાથ પછીના દિવસે યજ્ઞકાર તેનું અર્પણ ચડાવે. જે દિવસે તમે ફસલના પ્રથમ પૂળાનું અર્પણ કરો તે જ દિવસે પ્રભુને દહનબલિ તરીકે ખોડખાંપણ વગરનું એક વર્ષનું નર હલવાન ચડાવવું. તે સાથે જ તેલમાં મોયેલો બે કિલો લોટ ધાન્ય અર્પણ તરીકે ચડાવવો. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. તે સાથે એક લિટર દ્રાક્ષાસવ પણ ચડાવવો. આ અર્પણ પ્રભુને ચડાવ્યા સિવાય તમારે નવું અનાજ કાચું, શેકેલું કે રોટલીરૂપે પકવેલું ખાવું નહિ. તમે ગમે ત્યાં વસતા હો પરંતુ તમારે આ નિયમ તો વંશપરંપરાગત રીતે કાયમને માટે પાળવાનો છે. “સાબ્બાથ પછીના જે દિવસે તમે પ્રભુને પૂળાનું આરતીરૂપે અર્પણ ચડાવો ત્યારથી સાત સપ્તાહ ગણો. પચાસમા દિવસે એટલે સાતમા સાબ્બાથ પછીના દિવસે પ્રભુને નવી ફસલનું અર્પણ ચડાવો. દરેક કુટુંબે બે કિલો લોટમાં ખમીર ભેળવીને બનાવેલી બે રોટલીનું પ્રભુને નવી ફસલના પ્રથમ ફળ તરીકે અર્પણ કરવાનું છે. “આ રોટલી સાથે સમગ્ર ઇઝરાયલી સમાજે એક વર્ષના ખોડખાંપણ વગરના સાત હલવાન, એક વાછરડો અને બે બકરા પ્રભુને ચડાવવા. તેને ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવના પેયાર્પણ સાથે દહનબલિ તરીકે ચડાવવા. આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. તે સાથે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો અને સંગતબલિ તરીકે એક વર્ષના બે નર હલવાન ચડાવવા. યજ્ઞકાર ફસલના પ્રથમ ફળના અર્પણની રોટલી સાથે યજ્ઞકારના હિસ્સા માટે પ્રભુને બે હલવાન આરતીરૂપે અર્પણ ચડાવે. આ અર્પણો પવિત્ર છે. તે દિવસે તમારે રોજિંદું કામ કરવું નહિ. પણ પ્રભુના ભજનને માટે સંમેલન બોલાવવું. તમે ગમે ત્યાં વસતા હો પરંતુ આ નિયમ તો તમારે વંશપરંપરાગત રીતે કાયમને માટે પાળવાનો છે. “જ્યારે તમે ખેતરની કાપણી કરો ત્યારે છેક છેડા સુધીનો પાક કાપી લેશો નહિ. વળી, બાકી રહી ગયેલાં ડૂંડાં ફરીથી કાપવા જશો નહિ. ગરીબ અને પરદેશી માટે તે રહેવા દો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.” પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલી લોકને આ પ્રમાણે કહે: સાતમા માસના પ્રથમ દિવસને તમારે ખાસ સાબ્બાથના દિવસ તરીકે પાળવો. તે દિવસે રણશિંગડું વગાડી પ્રભુના ભજન માટેના સંમેલનમાં એકત્ર થવું. *** તે દિવસે પ્રભુને અગ્નિબલિ ચડાવવો અને રોજિંદું કામ કરવું નહિ.” પ્રભુએ મોશેને કહ્યું, “સાતમા માસનો દસમો દિવસ પ્રાયશ્ર્વિતનો દિવસ છે. તે દિવસે તમારે પ્રભુના ભજનને માટે સંમેલન બોલાવવું, ઉપવાસ કરવો અને પ્રભુને અગ્નિબલિ ચઢાવવો. તે દિવસે કંઈ રોજિંદું કામ કરવું નહિ; કારણ, તે તો પ્રભુ તમારા ઈશ્વર આગળ તમારા પાપનું પ્રાયશ્ર્વિત કરવાનો દિવસ છે. તે દિવસે જે કોઈ ઉપવાસ ન કરે તેને સમાજમાંથી બહિષ્કૃત કરવો. તે દિવસે જો કોઈ કંઈ રોજિંદું કામ કરશે તો પ્રભુ પોતે જ તેને મારી નાખશે. તમે ગમે ત્યાં વસતા હો પરંતુ આ નિયમ તો તમારે વંશપરંપરાગત રીતે કાયમને માટે પાળવાનો છે. નવમા દિવસની સાંજથી દસમા દિવસની સાંજ સુધી તમારે આ દિવસ ખાસ સાબ્બાથ દિન અને ઉપવાસના દિવસ તરીકે પાળવાનો છે.” પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલી લોકને તું આ પ્રમાણે કહે: સાતમા માસના પંદરમા દિવસથી માંડવાપર્વની શરૂઆત થાય છે અને તે સાત દિવસ ચાલે છે. *** પર્વના પ્રથમ દિવસે તમારે ભજનને માટે સંમેલન ભરવું અને તમારું રોજિંદું કામ કરવું નહિ. તમારે સાત દિવસ સુધી દરરોજ અગ્નિબલિ ચડાવવાનો છે. આઠમે દિવસે ફરીથી ભજનને માટે સંમેલન ભરવું અને અગ્નિબલિ ચડાવવો. તે તો પર્વ સમાપ્તિ નિમિત્તે પ્રભુના ભજનનો દિવસ છે અને તેથી કોઈએ કંઈ રોજિંદું કામ કરવું નહિ. “આ બધાં પ્રભુનાં ધાર્મિક પર્વો છે. તમારે આ પ્રસંગોએ પ્રભુના ભજન માટે સંમેલન બોલાવવું અને પ્રભુને નિયમ પ્રમાણે અગ્નિબલિ, દહનબલિ, ધાન્યઅર્પણ, અન્ય અર્પણો, દ્રાક્ષાસવનું પેયાર્પણ વગેરે દરરોજ ચડાવવાં. આ પર્વો નિયમિત સાબ્બાથના પર્વ ઉપરાંતનાં છે. વળી, આ અર્પણો તમારી નિયમિત બક્ષિસો, માનતા પૂરી કરવા માટેનાં અર્પણ અને સ્વૈચ્છિક અર્પણો ઉપરાંતનાં છે. “જ્યારે તમે ફસલ કાપો ત્યારે સાતમા માસના પંદરમા દિવસથી સાત દિવસ સુધી પર્વ પાળવું. પ્રથમ દિવસ ખાસ સાબ્બાથનો દિવસ છે. તે દિવસે તમારા ફળની ઉત્તમ પેદાશ, ખજૂરીની ડાળીઓ, લીલાંછમ પાંદડા અને ડાળીઓ એકઠી કરી તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ એ દિવસે આનંદોત્સવ કરવો; તમારે પ્રતિવર્ષ સાત દિવસ સુધી પર્વ પાળવું. તમારે વંશપરંપરાગત રીતે કાયમને માટે આ નિયમ પાળવાનો છે. ઇઝરાયલના બધા લોકોએ સાત દિવસ સુધી માંડવાઓમાં રહેવાનું છે. જેથી તમારા વંશજો જાણે કે પ્રભુએ જ્યારે ઇઝરાયલી લોકને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારે તેઓ માંડવાઓમાં વસતા હતા. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.” આ રીતે મોશેએ પ્રભુના માનમાં ઉજવવાનાં ધાર્મિક પર્વો માટે એ નિયમો ઇઝરાયલી લોકને આપ્યા. પ્રભુએ મોશેને કહ્યું, “મુલાકાતમંડપમાં દીવાનો પ્રકાશ સતત ચાલુ રહે તે માટે પીલેલું શુદ્ધ ઓલિવ તેલ લાવવા ઇઝરાયલી લોકોને જણાવ. મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની આગળના પડદા બહાર જે પવિત્રસ્થાન છે ત્યાં આરોને સાંજથી સવાર સુધી પ્રભુ સમક્ષ દીવો સતત સળગતો રાખવાનો છે. આ તો વંશપરંપરાગત રીતે પાળવાનો કાયમનો નિયમ છે. આરોને પ્રભુ સમક્ષ રાખેલી ચોખ્ખા સોનાની દીવી પરના દીવા સતત સળગતા રહે તેની કાળજી રાખવાની છે. “ઘઉંનો લોટ લઈ તેમાંથી એક કિલોની એક એવી બાર રોટલી બનાવ. પછી તેને પ્રભુ સમક્ષ શુદ્ધ સોનાની મેજ પર છ છની બે હારમાં ગોઠવ. દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક. રોટલીને બદલે એ લોબાન પ્રતીક તરીકે પ્રભુ સમક્ષ અગ્નિબલિ તરીકે ચડાવવાનો છે. દરેક સાબ્બાથે પ્રભુ સમક્ષ એ પ્રમાણે રોટલી મૂકવાની છે. ઇઝરાયલી લોકની એ કરારયુક્ત કાયમી ફરજ છે. આ રોટલી આરોન અને તેના વંશજોની થાય. પવિત્રસ્થાનમાં તે ખાવામાં આવે; કારણ, પ્રભુને ચડાવવામાં આવેલ અર્પણમાંથી યજ્ઞકારો માટેનો તે અતિ પવિત્ર હિસ્સો છે. ઇઝરાયલી લોક મધ્યે એક માણસ હતો. તેની માતા ઇઝરાયલી હતી અને તેના પિતા ઇજિપ્તી હતા. તેની માતાનું નામ શલોમીથ હતું. તે દાનના કુળના દિબ્રિની પુત્રી હતી. આ માણસે છાવણીમાં એક ઇઝરાયલી સાથે ઝઘડો કર્યો. તેણે ઈશ્વરના નામની નિંદા કરતાં પેલાને શાપ આપ્યો. તેથી લોકો તેને મોશે પાસે લઈ આવ્યા. *** જ્યાં સુધી પ્રભુનો ચુકાદો ના આવે ત્યાં સુધી તેમણે તેને ચોકીપહેરા નીચે રાખ્યો. પ્રભુએ મોશેને કહ્યું, “તે માણસને છાવણી બહાર લઈ જા. જે સાક્ષીઓએ તેને ઈશ્વરનિંદા કરતાં સાંભળ્યો હોય તે બધા પોતાનો હાથ તેના માથા પર મૂકે. પછી સમગ્ર ઇઝરાયલી સમાજ તેને પથ્થરે મારી નાખે. *** ત્યાર પછી ઇઝરાયલી લોકને કહેજે: જે કોઈ ઈશ્વરનિંદા કરશે તેણે તેની સજા ભોગવવી પડશે જ. એવાંને મોતની સજા ફટકારવી. જો કોઈ ઇઝરાયલી કે તમારી મધ્યે વસતો પરદેશી યાહવેના નામની નિંદા કરે તો સમગ્ર સમાજે તેને પથ્થરે મારી નાખવો. “જો કોઈ ખૂન કરે તો તેને મોતની સજા ફટકારવામાં આવે. જો કોઈ બીજા માણસનું પ્રાણી મારી નાખે તો તેણે તેની નુક્સાની ભરી આપવી. જીવને બદલે જીવ એ સિદ્ધાંત અનુસરવામાં આવે. “જો કોઈ બીજાને ઇજા પહોંચાડે તો તેને તેવી જ ઇજા પહોંચાડવી. જો કોઈ હાડકું ભાંગી નાંખે તો તેનું હાડકું ભાંગી નાખવું, આંખ ફોડે તો તેની આંખ ફોડી નાખવી, દાંત પાડી નાખે તો તેનો દાંત પાડી નાખવો. તે બીજાને જેવી ઇજા પહોંચાડે તેવી જ ઇજા તેને કરવામાં આવે. જો કોઈ માણસ પ્રાણીને મારી નાખે તો તેણે તેની નુક્સાની ભરી આપવી. પણ જો કોઈ માણસ બીજા માણસને મારી નાખે તો તેને મારી નાખવો. ઇઝરાયલી અને તમારી મધ્યે વસતા પરદેશી સૌને માટે એક સરખો કાયદો છે. કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું.” મોશેએ ઇઝરાયલીઓને આ બધું કહ્યું. ત્યાર પછી તેઓ ઈશ્વરનિંદા કરનાર માણસને છાવણી બહાર લઈ ગયા અને તેને પથ્થરે મારી નાખ્યો. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ કર્યું. પ્રભુએ સિનાય પર્વત પર મોશેને કહ્યું, “તું ઇઝરાયલી લોકને આ પ્રમાણે કહે: હું જે દેશ તમને આપવાનો છું તેમાં તમે પ્રવેશ કરો ત્યારે પ્રભુના માનમાં દર સાતમે વર્ષ તમારે જમીનને પૂરો આરામ આપવો અને તેમાં કોઈ જાતની ખેતી કરવી નહિ. છ વર્ષ સુધી તમારે ખેતરમાં વાવણી કરવી, તમારી દ્રાક્ષાવાડીઓની કાપકૂપ કરવી અને ફસલ એકઠી કરવી. પરંતુ સાતમું વર્ષ પ્રભુને સમર્પિત વર્ષ છે. તે વર્ષે જમીનને સંપૂર્ણ આરામ આપવો. તમારે તમારા ખેતરમાં વાવણી કરવી નહિ કે દ્રાક્ષાવાડીઓ છાંટવી નહિ. તે વર્ષે પડેલા દાણામાંથી ઊગેલા અન્‍નનો પાક તમારે લેવો નહિ કે કાપકૂપ કર્યા વગરના દ્રાક્ષાવેલાની દ્રાક્ષ એકઠી કરવી નહિ.તે તો જમીનને માટે સંપૂર્ણ સાબ્બાથનું એટલે આરામનું વર્ષ છે. જો કે તે વર્ષે જમીનમાં કશું વાવવામાં આવશે નહિ તો પણ તે તમારે માટે તેમજ તમારા ગુલામો, મજૂરો, તમારી મધ્યે વસતા પરદેશીઓ, તમારાં પાળેલાં અને વન્ય પ્રાણીઓ એ સૌને માટે ખોરાક પૂરો પાડશે. જમીનમાં જે કાંઈ આપમેળે પાકે તેનો તમે ખોરાક તરીકે ઉપયોગ કરી શકશો. “દર સાત વર્ષે આવતો એક સાબ્બાથ, એ રીતે તમે સાત સાબ્બાથ એટલે ઓગણપચાસ વર્ષ ગણો. પછી સાતમા માસને દસમે દિવસે એટલે પ્રાયશ્ર્વિતના દિવસે તમારે સમગ્ર દેશમાં રણશિંગડું વગાડવા માણસ મોકલવો. આ રીતે પચાસમું વર્ષ અલગ કરી દેશના સર્વ રહેવાસીઓ માટે સ્વતંત્રતાની જાહેરાત કરવી. એ વર્ષ તમારે માટે ઋણમુક્તિનું વર્ષ બને. આ વર્ષમાં વેચાઈ ગયેલી મિલક્ત તેના મૂળ માલિકને અથવા તેના વારસોને પાછી મળે અને ગુલામ તરીકે વેચાયેલો માણસ છૂટો થઈ પોતાના કુટુંબમાં પાછો આવે. એ પચાસમું વર્ષ તમારે માટે ઋણમુક્તિનું વર્ષ છે. તે વર્ષે તમારે વાવણી કરવી નહિ. પડેલા દાણામાંથી ઊગ્યું હોય તેની લણણી કરવી નહિ કે કાપકૂપ કર્યા વગરના દ્રાક્ષાવેલા પરથી દ્રાક્ષો એકઠી કરવી નહિ. કારણ, એ તો ઋણમુક્તિનું વર્ષ છે અને તમારે તેને પવિત્ર પાળવાનું છે. પણ ખેતી કર્યા વિનાના ખેતરમાંથી જે આપમેળે ઊગે તે સીધેસીધું ખોરાક માટે ઉપયોગમાં લેવાનું છે. “આ વર્ષે વેચવામાં આવેલી મિલક્ત પોતાના મૂળ માલિકને પાછી મળે. તેથી તમે સાથી ઇઝરાયલીને જમીન વેચો કે ખરીદો ત્યારે તેમાં ગેરલાભ ઉઠાવશો નહિ. ઋણમુક્તિના વર્ષને આવવાને જેટલાં વર્ષ બાકી હોય તે પ્રમાણે જમીનની કિંમત નક્કી કરવી. જો વધુ વર્ષ બાકી હોય તો જમીનની કિંમત વધુ અને ઓછાં વર્ષ બાકી હોય તો જમીનની કિંમત ઓછી આંકવામાં આવે. કારણ, જમીનમાંથી કેટલાં વર્ષ ફસલ મળશે તે પ્રમાણે કિંમત નક્કી કરવાની થાય છે. તમારે એકબીજા સાથે છેતરપિંડી કરવી નહિ. તમારા ઈશ્વર પ્રભુની બીક રાખવી. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. “તમે મારા નિયમો અને આજ્ઞાઓ પાળો. જેથી તમે દેશમાં સહીસલામત રહેશો. જમીન તમારે માટે મબલક પાક ઉતારશે અને તમને જોઈએ તેટલું ખાવા મળશે તથા તમે સલામત રહેશો. કોઈને પ્રશ્ર્ન થાય કે સાતમા વર્ષમાં કશું વાવવાનું કે લણવાનું નથી, તો પછી શું ખાઈશું? પરંતુ પ્રભુ છઠ્ઠા વર્ષને આશિષ આપશે એટલે ત્રણ વર્ષ ચાલે તેટલો પાક ઉતરશે. આઠમે વર્ષે તમે વાવણી કરશો ત્યારે આગલા વર્ષના પાકમાંથી તમે ખાતા હશો અને નવમા વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યારે પણ તમે સંઘરેલું જૂનું અનાજ જ ખાતા હશો. “તમારે જમીનનું કાયમી ધોરણે વેચાણ કરવું નહિ. કારણ, જમીન તમારી નહિ, પણ મારી છે. તમે તો ફક્ત પરદેશીઓની માફક તેનો ઉપયોગ કરનારા છો. જ્યારે જમીનનું વેચાણ કરવામાં આવે ત્યારે તે પાછી ખરીદી લેવાનો મૂળ માલિકનો હક્કચાલુ રહે. જો કોઈ ઇઝરાયલી ગરીબ બની જાય અને તેને પોતાની જમીન વેચી દેવાની ફરજ પડે તો તેનો નજીકનો સગો તે ખરીદીને પાછી મેળવી આપે. જો કોઈને એવો નજીકનો સગો ન હોય તો જ્યારે તે સમૃદ્ધ બને ત્યારે ફરી પાછી ખરીદ કરી શકે. આવા કિસ્સામાં વેચાણ પછીનાં વર્ષો હિસાબમાં લઈ પછીનાં જેટલાં વર્ષ બાકી હોય તે પ્રમાણે તેની કિંમતની ગણતરી કરી ચૂકવવી. તેણે તેની મિલક્ત પાછી આપી દેવી. હવે જો તે જમીન ફરીથી ખરીદી શકવા સમર્થ ન હોય તો ઋણમુક્તિના વર્ષ સુધી તે ખરીદનારની પાસે રહે. ઋણમુક્તિના વર્ષે તો તે મૂળ માલિકને પાછી મળે. “જો કોઈ કોટવાળા નગરમાંનું પોતાનું મકાન વેચી દે તો એક વર્ષ સુધી તેને પાછું ખરીદવાનો હક્ક રહે. પરંતુ જો એક વર્ષ સુધી તે પાછું ખરીદ કરી ન શકે તો ફરી ખરીદવાનો હક્ક તે ગુમાવે છે અને તે મકાનની કાયમી માલિકી ખરીદનાર અને તેના વંશજોની થાય. ઋણમુક્તિના વર્ષમાં પણ તે મકાન મૂળ માલિકને પાછું ન મળે. કોટ વગરનાં ગામડાંનાં ઘરો તો ખેતર જેવાં જ ગણાય. મૂળ માલિકને તે ફરીથી ખરીદવાનો હક્ક કાયમ રહે અને ઋણમુક્તિના વર્ષમાં તો તે પાછું મૂળ માલિકને મળે. જો કે લેવીઓને તેમનાં માલિકીનાં મકાન ગમે ત્યારે પાછાં ખરીદી લેવાનો કાયમી હક્ક છે. જો કોઈ લેવી નગરમાંનું પોતાનું મકાન વેચી દે અને પાછું ન ખરીદે તો ઋણમુક્તિના વર્ષમાં તે તેને પાછું મળે. કારણ, લેવીઓનાં નગરમાંનાં તેમનાં મકાન તે તો ઇઝરાયલીઓ મધ્યેની તેમની કાયમી મિલક્ત છે. પરંતુ લેવીઓનાં શહેરોની ચારેબાજુની ઘાસચારાની જમીન કદી વેચવામાં આવે નહિ. તે તો તેમની કાયમી મિલક્ત છે. “તમારી પાસે રહેતો જો કોઈ સાથી ઇઝરાયલી ગરીબ બની જાય અને પોતાનું ભરણપોષણ કરવા અસમર્થ હોય તો જેમ તમે પરદેશી કે પ્રવાસીઓને મદદ કરો છો તેમ જ તેને કરવી; જેથી તે તમારી સાથે રહી શકે. તેની પાસેથી કંઈ વ્યાજ કે નફો લેવો નહિ. પણ તમારે તમારા ઈશ્વરની બીક રાખવી અને તેને તમારી સાથે રાખવો. તેને આપેલા પૈસા પર કંઈ વ્યાજ ન લો અને તેને આપેલા અનાજ પર કોઈ નફો ન લેવો. તમને કનાન દેશમાં લાવવા અને તમારો ઈશ્વર થવા તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર પ્રભુ છું. “જો તમારી પાસે રહેતો સાથી ઇઝરાયલી એટલો બધો ગરીબ બની જાય કે પોતાની જાતને ગુલામ તરીકે વેચી દે તો પણ તમારે તેની પાસે ગુલામના જેવું કામ કરાવવું નહિ. તે મજૂર કે પરદેશી જેવો ગણાય અને ઋણમુક્તિના વર્ષ સુધી તે તમારી સેવા કરશે. ત્યાર પછી તે અને તેનાં બાળકો તમારાથી છૂટાં થઈને પોતાના વતનમાં પાછાં ફરે અને પોતાના પૂર્વજો મિલક્તના માલિક બને. ઇઝરાયલી લોકો તો મારા ગુલામ છે. મેં તેમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા. તેમને ફરીથી ગુલામ તરીકે વેચી શકાશે નહિ. તેની પાસે કડકાઈથી ગુલામની જેમ વેઠ કરાવશો નહિ, પરંતુ તમારા ઈશ્વરની બીક રાખો. જો તમારે ગુલામની જરૂર હોય તો તમારી આસપાસ વસતી પ્રજાઓ મધ્યેથી ખરીદો. એ ઉપરાંત તમારી મધ્યે વસતા પરદેશીઓ અથવા દેશમાં જન્મેલાં તેમનાં સંતાનોને ગુલામ તરીકે ખરીદી શકો છો. આવાં સંતાનો તમારી મિલક્ત ગણાય. તમે તેમને તમારા વંશજોને વારસામાં આપી શકો અને જીવનપર્યંત તેઓ તેમની સેવા કરે. પરંતુ તમારે તમારા સાથી ઇઝરાયલી પાસે ગુલામના જેવી વેઠ કરાવવાની નથી. “ધારો કે તમારી મધ્યે વસતો પરદેશી શ્રીમંત થઈ જાય અને સાથી ઇઝરાયલી ગરીબ બની જતાં પોતે ગુલામ તરીકે તેને અથવા તેના કુટુંબના કોઈ સભ્યને વેચાઈ જાય, તો તેને ફરીથી પાછા ખરીદીને છોડાવી લેવાનો હક્ક ચાલુ રહે. તેનો કોઈ ભાઈ તેના ક્કા, તેનો પિતરાઇ ભાઈ અથવા બીજો કોઈ નજીકનો સગો તેને પાછો ખરીદીને છોડાવી શકે અથવા જો તેને પોતાની પાસે પૂરતી કમાણી થાય તો તે જાતે કિંમત ચૂકવીને સ્વતંત્ર થઈ શકે. ખરીદનારે તેને માટે ચૂકવેલી કિંમત તે વેચાયો ત્યારથી ઋણમુક્તિના વર્ષ સુધીની ગણાય. તે મુક્ત થવા માગે ત્યારે ઋણમુક્તિના વર્ષને આવવાને જેટલાં વર્ષ બાકી રહ્યાં હોય તે પ્રમાણે તેણે પોતાનું મુક્તિમૂલ્ય ચૂકવી આપવું જોઈએ. વધારે વર્ષ બાકી હોય તો વધારે અને ઓછાં બાકી હોય તો ઓછું મૂલ્ય ચૂકવી આપવાનું રહે. મૂલ્ય મજૂરના દૈનિક વેતનના પ્રમાણમાં ગણવામાં આવે. એટલે ઋણમુક્તિના વર્ષમાં બાકી રહેલાં વર્ષ પ્રમાણે મજૂરીના વેતન જેટલી રકમ તે ચૂકવે. *** *** તે વાર્ષિક ધોરણે રાખેલ વેતનીય મજૂર જેવો ગણાય. તેનો માલિક તેની પાસેથી કડકાઈથી કામ ન લે તે તમારે જોવું. જો તેને કોઈ રીતે સ્વતંત્ર કરવામાં ન આવે તો પછીના ઋણમુક્તિના વર્ષમાં તે અને તેનાં બાળકો સ્વતંત્ર થઈ જાય. કોઈ ઇઝરાયલી કાયમનો ગુલામ રહી શકે નહિ. કારણ, ઇઝરાયલી લોક તો મારા ગુલામ છે. મેં તેમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.” પ્રભુએ કહ્યું, “તમે પૂજા કરવા માટે મૂર્તિઓ, પ્રતિમા, સ્તંભ કે કોતરેલા પથ્થર બનાવશો નહિ. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. મારા સાબ્બાથ પાળો અને મારા પવિત્રસ્થાનને માન આપો. હું પ્રભુ છું. “જો તમે મારા નિયમો પ્રમાણે ચાલો અને મારી આજ્ઞાઓ પાળો, તો હું ઋતુ પ્રમાણે વરસાદ મોકલીશ. તેથી ભૂમિ પોતાની નીપજ આપશે અને વૃક્ષો પોતાનાં ફળ આપશે. એટલું બધું અનાજ પાકશે કે કાપણી દ્રાક્ષ ઉતારવાના સમય સુધી ચાલશે અને વાવણીના સમય લગી દ્રાક્ષ ઉતારવાનું કામ ચાલશે. તમે ધરાઈને ખાશો અને દેશમાં સહીસલામત રહેશો. “હું તમારા દેશમાં શાંતિ આપીશ અને તમે નિરાંતે ઊંઘી શકશો. હું હિંસક પ્રાણીઓને તમારા દેશમાંથી હાંકી કાઢીશ અને તમારા દેશ પર કોઈ આક્રમણ કરશે નહિ. તમે તમારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરશો. તમારામાંના પાંચ સો દુશ્મનોનો અને સો દસ હજારનો પીછો કરશે. હું તમને આશિષ આપીશ, તમારો વંશ વધારીશ અને તમે વૃદ્ધિ પામશો. તમારી સાથેના મારા કરારનું હું પાલન કરીશ. તમારી ફસલ આખું વર્ષ ખાવા છતાં ખૂટશે નહિ અને તેની નવી ફસલ આવતાં વધેલા જૂના અનાજનો નિકાલ કરવો પડશે. હું તમારી મધ્યે મારું નિવાસસ્થાન સ્થાપીશ અને હું કદી તમારો ત્યાગ કરીશ નહિ. હું તમારી સાથે રહીશ. હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોક બનશો. મેં પ્રભુ, તમારા ઈશ્વરે તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે. તેથી હવે ફરીથી તમે ગુલામ બનશો નહિ. મેં તમારી ગુલામીની ઝૂંસરી તોડી નાખી છે અને તમને ગૌરવથી ઉન્‍નત મસ્તકે ચાલતા કર્યા છે. પ્રભુએ કહ્યું, “જો તમે મારું કહ્યું નહિ સાંભળો, અને મારી આજ્ઞાઓને આધીન નહિ થાઓ; જો તમે મારા નિયમોને તુચ્છ ગણશો અને મારા ફરમાનોની અવજ્ઞા કરશો અને મારી બધી આજ્ઞાઓ નહિ પાળતાં મારી સાથેનો તમારો કરાર તોડશો, તો હું તમને આવી સજા કરીશ: હું તમારા પર ઓચિંતી આફત લાવીશ. તમે આંધળા બની જાઓ અને તમારી જીવનશક્તિ હણાઈ જાય તેવા અસાય રોગો અને તાવ હું તમારા પર મોકલીશ. તમે વાવશો પણ ખાવા નહિ પામો; તમારા દુશ્મનો તે ખાઈ જશે. હું તમારી વિરુદ્ધ થઈશ. જેથી, દુશ્મનોને હાથે તમે પરાજિત થશો. તેઓ તમારા પર રાજ ચલાવશે. કોઈ તમારી પાછળ પડયું ન હોવા છતાં તમે બીકના માર્યા નાસભાગ કરશો. “આ બધું વીત્યા છતાં જો તમે મને આધીન થશો નહિ તો હું તમારા પાપની સજા સાત ઘણી વધારીશ. હું તમારા બળનું અભિમાન તોડી પાડીશ. આકાશ જાણે તાંબા જેવું બની જશે કે બિલકુલ વરસાદ વરસશે નહિ અને જમીન લોખંડ જેવી સૂકીભઠ્ઠ થઈ જશે. તમારો કઠોર પરિશ્રમ નકામો જશે. કાચી જમીનમાંથી કશું પાકશે નહિ અને વૃક્ષો પોતાનાં ફળ આપશે નહિ. “આટલું બધું વીત્યા છતાં તમે મારી વિરુદ્ધ થઈને મને આધીન નહિ થાઓ તો તમારા પાપને લીધે હું તે કરતાં પણ સાતગણી વધારે આફતો તમારા પર લાવીશ. હું તમારી મધ્યે જંગલી પ્રાણીઓ મોકલીશ. તેઓ તમારાં બાળકોને મારી નાખશે, તમારાં ઢોરનો નાશ કરશે અને બહુ થોડા જ લોકો બચી જશે. એથી તમારા રાજમાર્ગો વેરાન બની જશે. “એ બધી શિક્ષાથી પણ નહિ સુધરતાં તમે મારી સામા થશો, તો હું પણ તમારી વિરુદ્ધ પડીને ફરીથી તમારાં પાપની સજા સાત ઘણી વધારે કરીશ. તમે મારી સાથેનો કરાર તોડયો હોવાથી હું તમારા પર યુદ્ધ મોકલીશ. જો તમે નગરોમાં સલામતીને માટે ભરાઈ જશો તો હું તમારા પર રોગચાળો મોકલીશ અને તમારે દુશ્મનને શરણે જવું પડશે. હું તમારો અન્‍નનો પુરવઠો કાપી નાખીશ એટલે દસ સ્ત્રીઓ ફક્ત એક જ તવા પર બધી રોટલીઓ શેકશે. તેઓ તમને નિયત પ્રમાણમાં વજન કરીને રોટલી વહેંચશે અને તે ખાવા છતાં તમે ભૂખ્યા જ રહેશો. “આટઆટલું બન્યાં છતાં તમે મને આધીન નહિ થતાં મારી સામા થશો, તો હું પણ તમારી વિરુદ્ધ પડીને તમારા પર મારો કોપ રેડી દઈશ અને તમને તમારાં પાપને લીધે સાત ગણી ભારે સજા કરીશ. તમે એવી ભૂખે ટળવળશો કે તમે તમારા પોતાનાં જ બાળકોનું માંસ ખાશો. હું તમારાં ટેકરીઓ પરનાં ભક્તિસ્થાનોનો નાશ કરીશ, તમારી ધૂપવેદીઓ તોડી પાડીશ અને તમારી મૂર્તિઓના ભંગાર પર તમારાં શબ ફેંકીશ. હું તમારો ધિક્કાર કરીશ. અને હું તમારાં નગરોને ખંડિયેર બનાવી દઈશ. હું તમારાં ઉચ્ચ ભક્તિસ્થાનોનો વિનાશ કરીશ અને તમારાં અર્પણોની સુવાસથી હું પ્રસન્‍ન થઈશ નહિ. હું તમારા દેશનો એવો વિનાશ કરીશ કે તેમાં વસવાટ કરનાર તમારા દુશ્મનો પણ તે જોઈને આઘાત પામશે. હું તમારા પર યુલ મોકલીશ અને તમને પરદેશમાં વેરવિખેર કરી નાખીશ. તમારો દેશ વેરાન બની જશે અને તમારાં નગરો ખંડિયેર થઈ જશે. ત્યાર પછી તમે તમારી જે ભૂમિને આરામ આપ્યો ન હતો તે હવે સંપૂર્ણ આરામનાં વર્ષો ભોગવશે. તે વેરાન પડી રહેશે અને સંપૂર્ણ સાબ્બાથ ભોગવશે. કારણ, તમે ત્યારે તમારા દુશ્મનોના દેશમાં દેશનિકાલ થશો. *** “તમારામાંથી દેશનિકાલ થયેલાઓને હું એવા ભયભીત કરીશ કે પવનથી પાંદડું હાલવાના અવાજથી જ તેઓ નાસવા લાગશે. યુદ્ધમાં જાણે કોઈ પાછળ પડયું હોય એ રીતે તેઓ નાસશે અને દુશ્મન નજીક ન હોવા છતાં તેઓ ઢળી પડશે. કોઈ પાછળ પડયું ન હોવા છતાં એકબીજા સાથે ટકરાઈને તેઓ પડી જશે અને તમારામાં દુશ્મન સામે ટક્કર ઝીલવાની તાક્ત રહેશે નહિ. તમે દેશનિકાલમાં માર્યા જશો અને દુશ્મનોની ભૂમિ તમને ગળી જશે. તમારામાંના જે કોઈ થોડાક ત્યાં બચી જશે તેઓ તમારાં પોતાનાં અને તમારાં પૂર્વજોના પાપને લીધે નાશ પામશે. “પરંતુ તમારાં સંતાનો તેમનાં અને તેમનાં પૂર્વજોનાં પાપ કબૂલ કરશે. મારી સામા થઈને મારી વિરુદ્ધ તેમણે બળવો પોકાર્યો હતો તેની કબૂલાત કરશે કે તેમનાં પાપને લીધે જ હું તેમની વિરુદ્ધ થયો હતો અને મેં તેમને તેમના દુશ્મનોના દેશમાં દેશનિકાલ કર્યા હતા. છેવટે તમારાં સંતાનો પોતાને નમ્ર કરશે અને પોતાના પાપ અને બળવાની સજા ભોગવી લેશે, ત્યારે હું યાકોબ, ઇસ્હાક અને અબ્રાહામ સાથેનો મારો કરાર યાદ કરીશ અને તેમને દેશ આપવા અંગેનું મારું વચન હું યાદ કરીશ. છતાં પ્રથમ તો તેમણે દેશ ત્યજી દેવો પડશે; જેથી ભૂમિને સંપૂર્ણ આરામ મળે. વળી, તેમણે મારા નિયમો અને આજ્ઞાઓ પાળ્યાં નહિ હોવાથી તેની સંપૂર્ણ સજા તેમણે ભોગવવી પડશે. તેમ છતાં તેઓ પોતાના દુશ્મનના દેશમાં હશે ત્યારે પણ હું તેમને સંપૂર્ણપણે ત્યજી દઈશ નહિ કે તેમનો વિનાશ કરીશ નહિ. કારણ, તેથી તો મારા કરારનો ભંગ થાય. હું તો પ્રભુ, તેમનો ઈશ્વર છું. તેમના પૂર્વજોની સાથે મેં કરેલો કરાર યાદ કરીને હું તેમને સમૃદ્ધ કરીશ. બધી પ્રજાઓને મારું સામર્થ્ય દર્શાવવાને માટે મેં તેમના પૂર્વજોને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા; જેથી હું પ્રભુ, તેમનો ઈશ્વર થાઉં.” પ્રભુએ મોશેને સિનાઈ પર્વત પર ઇઝરાયલી લોકને માટે આ બધા નિયમો, આજ્ઞાઓ અને ફરમાનો આપ્યાં હતાં. પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલી લોકને આમ કહે: જો કોઈ માણસ પ્રભુની સેવામાં બીજા કોઈને સમર્પિત કરવાની માનતા રાખે અને પછી તે તેને મુક્ત કરવા માંગે તો તેણે પવિત્રસ્થાનના ચલણના શેકેલના ધોરણે નીચે પ્રમાણે મુક્તિમૂલ્ય ચૂકવવું. “વીસથી સાઠ વર્ષની ઉંમરના પુરુષનું મુક્તિમૂલ્ય ચાંદીના 50 શેકેલ થાય. જો તે સ્ત્રી હોય તો ચાંદીના 30 શેકેલ ચૂકવવા. પાંચથી વીસ વર્ષની ઉંમરના છોકરાનું મુક્તિમૂલ્ય ચાંદીના 20 શેકેલ થાય. જો તે છોકરી હોય તો ચાંદીના 10 શેકેલ ચૂકવવા. પાંચ વર્ષથી નીચેના નર બાળકનું મુક્તિમૂલ્ય ચાંદીના 5 શેકેલ થાય. અને નારી હોય તો ચાંદીના 3 શેકેલ ચુકવવા. સાઠ વર્ષથી ઉપરના પુરુષનું મુક્તિમૂલ્ય ચાંદીના 15 શેકેલ થાય. જો તે સ્ત્રી હોય તો ચાંદીના 10 શેકેલ ચૂકવવા. *** *** *** *** “જો કોઈએ માનતા લીધી હોય અને પછી ગરીબીને લીધે નિયત કરેલું મુક્તિમૂલ્ય ચૂકવવા અસમર્થ હોય તો તેણે તે માણસને યજ્ઞકાર પાસે લાવવો. યજ્ઞકાર માનતા લેનાર માણસ ચૂકવી શકે તે પ્રમાણે તેનું મુક્તિમૂલ્ય નક્કી કરે. “જો માનતા પ્રભુને અર્પણ કરી શકાય એવા પ્રાણીની હોય તો તે પ્રાણી પ્રભુને સમર્પિત ગણાય. તે પ્રાણીના બદલામાં બીજું પ્રાણી આપી શકાય નહિ. જો અદલાબદલી કરવામાં આવી હોય તો પછી બન્‍ને પ્રાણીઓ પ્રભુનાં થાય. પરંતુ પ્રભુને અર્પણ ન કરી શકાય એવા પ્રાણીની માનતા હોય તો પછી તેને યજ્ઞકાર પાસે લાવવામાં આવે. યજ્ઞકાર તેની તપાસ કરી સારાંનરસાં લક્ષણો પ્રમાણે તેની કિંમત નક્કી કરે અને તે કિંમત આખરી ગણાય. જો તે માણસ તેને ખરીદીને છોડાવી લેવા ઇચ્છે તો તેણે તેની કિંમત ચૂકવવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા. “જો કોઈ પોતાનું મકાન પ્રભુને સમર્પિત કરે તો યજ્ઞકાર તેની તપાસ કરી સારીનરસી બાબતો જોઈ તે પ્રમાણે તેની કિંમત નક્કી કરે અને તે તેની આખરી કિંમત ગણાય. અને જો ઘર સમર્પિત કરનાર માલિક તે પાછું ખરીદવા ઇચ્છે તો તેને નક્કી કરેલી કિંમત ચૂકવવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા. “જો કોઈ પોતાની જમીનનો અમુક ભાગ પ્રભુને સમર્પિત કરે તો વીસ કિલો જવ દીઠ ચાંદીના દસ શેકેલ લેખે, તે જમીનમાં જેટલું બિયારણ વાવી શકાય તેને આધારે તે જમીનની કિંમત નક્કી થાય. જો તે ઋણમુક્તિના વર્ષથી જ જમીન સમર્પિત કરે તો તેની પૂરી કિંમત ગણવામાં આવે. પરંતુ જો તે ત્યાર પછી તેને સમર્પિત કરે તો યજ્ઞકાર ઋણમુક્તિના વર્ષને જેટલાં વર્ષ બાકી હોય તેના પ્રમાણમાં રોકડ કિમત ગણે એટલે પૂરી કિંમત કરતાં તે ઓછી થાય. જો તે જમીનને સમર્પિત કર્યા પછી ફરીથી પાછી લેવા માગે તો તેણે તેની કિંમત ચૂકવવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા. જો તે પ્રભુ પાસેથી ખરીદ કર્યા વગર તે જમીન બારોબાર બીજા કોઈને વેચી દે તો પછી તે પાછી ખરીદવાનો તેનો હક્ક ગુમાવે છે. ઋણમુક્તિનું વર્ષ આવતાં તે જમીન પ્રભુને કાયમ માટે સમર્પિત એવી મિલક્ત ગણાય અને તે યજ્ઞકારોની થાય. “જો કોઈ પોતે ખરીદેલી મિલક્ત પ્રભુને સમર્પિત કરે, તો યજ્ઞકાર ઋણમુક્તિના વર્ષ પ્રમાણે તેની કિંમત નક્કી કરે અને તે માણસ તે જ દિવસે તેનું મૂલ્ય ચૂકવી દે. એ મૂલ્ય પ્રભુને સમર્પિત ગણાય. ઋણમુક્તિના વર્ષે તે જમીન મૂળ માલિકને અથવા તેના વંશજને પાછી મળે. “વીસ ગેરાનો એક શેકેલ એ લેખે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે બધું મૂલ્ય ગણવામાં આવે. દરેક પ્રથમજનિત પ્રાણી પ્રભુનું જ ગણાય; તેથી કોઈ સ્વૈચ્છિક રીતે એવા વાછરડાનું, હલવાનનું, લવારાનું સમર્પણ કરે નહિ; એ તો પ્રભુનું જ છે. પરંતુ જો પ્રથમજનિત અશુદ્ધ પ્રાણી હોય તો તેની કિંમત નક્કી કરવામાં આવે અને તેમાં વધારાના વીસ ટકા ઉમેરવામાં આવે. જો, તે પાછું ખરીદવામાં ન આવે તો તે બીજા કોઈને પૂરેપૂરી કિંમતે વેચી દેવામાં આવે. “મને, પ્રભુને, કરેલું કોઈ બિનશરતી સમર્પણ, પછી તે માણસ, પ્રાણી કે જમીન હોય તો તેને પાછું વેચી કે ખરીદી શકાય નહિ; એ સંપૂર્ણ સમર્પિત છે. અરે, બિનશરતી રીતે સમર્પિત થયેલ માણસને પણ પાછો ખરીદી શકાય નહિ. તેને તો મારી જ નાખવો. “જમીનની પેદાશ, પછી તે અનાજ કે ફળ હોય પણ તેનો દસમો ભાગ પ્રભુનો ગણાય. જો કોઈ તે ભાગ પાછો ખરીદવા માગે તો તેણે તેની પૂરેપૂરી કિંમત ચૂકવવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા. પાળેલાં પ્રાણીઓમાંથી દર દસે એક પ્રાણી મારું, પ્રભુનું, ગણાય. લાકડી વડે જ્યારે પ્રાણીઓની ગણતરી થાય ત્યારે દર દસે એક પ્રાણી મારું, પ્રભુનું, થાય. માલિક જો એવી રીતે ગોઠવણી કરે કે નકામાં પ્રાણીઓ પસંદ થાય ને સારાં બદલાઈ જાય તો એવી અદલાબદલીમાં બન્‍ને પ્રાણીઓ મને, પ્રભુને, સમર્પિત થયેલાં ગણાય અને તે ફરીથી પાછાં ખરીદી શકાય નહિ.” આ બધી આજ્ઞાઓ પ્રભુએ મોશેને સિનાઈ પર્વત પર ઇઝરાયલી લોકને માટે આપેલી છે. ઇઝરાયલી લોક ઇજીપ્તમાંથી નીકળ્યા તે પછીના બીજા વર્ષના બીજા મહિનાને પ્રથમ દિવસે સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મુલાકાતમંડપમાં મોશેને આ પ્રમાણે કહ્યું: “તું અને આરોન, ગોત્ર અને કુટુંબ પ્રમાણે ઇઝરાયલીલોકની વસતીગણતરી કરો. વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના લશ્કરમાં જોડાવાને લાયક હોય એવા પુરુષોની લશ્કરી ટુકડીઓ પ્રમાણે નામવાર ગણતરી કરો. તે માટે દરેક ગોત્રમાંથી કુટુંબના એક આગેવાનની મદદ લો.” આ કાર્યને માટે સમાજમાંથી કુળ પ્રમાણે કુટુંબના આગેવાનોને નીચે પ્રમાણે પસંદ કરવામાં આવ્યા: [કુળ] — [ગોત્રવાર કૌટુંબિક આગેવાન] રૂબેન — શદેઉરનો પુત્ર એલિસૂર શિમયોન — સુરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ યહૂદા — આમ્મીનાદાબનો પુત્ર નાહશોન ઇસ્સાખાર — સૂઆરનો પુત્ર નાથાનાએલ ઝબુલૂન — હેલોનનો પુત્ર એલિયાબ યોસેફનાં કુળ: (૧) એફ્રાઇમ — આમ્મીહૂદનો પુત્ર એલિશામા (2)મનાશ્શા — પદાહસૂરનો પુત્ર ગમાલીએલ બિન્યામીન — ગિદિયોનીનો પુત્ર અબિદાન દાન — આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર આશેર — ઓક્રાનનો પુત્ર પાગીએલ ગાદ — દેઉએલનો પુત્ર એલ્યાસાફ નાફતાલી — એનાનનો પુત્ર અહીરા *** *** *** *** *** *** *** *** *** *** *** મોશે તથા આરોને ઉપર પ્રમાણેના આગેવાનોને પોતાની સાથે મદદમાં લીધા. તેમણે બીજા મહિનાને પ્રથમ દિવસે સમગ્ર સમાજને એકત્ર કર્યો અને ગોત્ર તથા કુટુંબ પ્રમાણે બધાંની ગણતરી કરવામાં આવી. વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના બધા પુરુષોનાં નામ નોંધવામાં આવ્યાં. પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ સિનાઈના રણપ્રદેશમાં તેમની વસતીગણતરી કરી. યાકોબના જયેષ્ઠ પુત્ર રૂબેનના કુળથી શરૂ કરીને વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના બધા પુરુષો જેઓ લશ્કરમાં જોડાવાને લાયક હતા તેમનાં નામ પ્રમાણે ગોત્ર અને કુટુંબવાર નોંધણી કરવામાં આવી. તેમની કુલ સંખ્યા નીચે પ્રમાણે છે: [કુળ] — [સંખ્યા] રૂબેન — 46,500 શિમયોન — 59,300 ગાદ — 45,650 યહૂદા — 74,600 ઇસ્સાખાર — 54,400 ઝબુલૂન — 57,400 યોસેફના કુળ: (૧) એફ્રાઈમ — 40,500 (૨) મનાશ્શા — 32,200 બિન્યામીન — 35,400 દાન — 62,700 આશેર — 41,500 નાફતાલી — 53,400 કુલ સંખ્યા: — 603,550 મોશે, આરોન તથા પ્રત્યેક ગોત્રના પ્રતિનિધિ તરીકે મદદમાં આવેલા બાર આગેવાનોએ આ ગણતરી કરી. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** બીજાં કુળો સાથે લેવીકુળની ગણતરી કરવામાં આવી નહિ. કારણ, પ્રભુએ મોશેને આમ કહ્યું હતું: “લશ્કરમાં જોડાવાને લાયક પુરુષોની વસતીગણતરી કરવામાં આવે ત્યારે તેમાં લેવી કુળની નોંધણી કરવાની નથી. તેને બદલે લેવીઓને કરારપેટી, સાક્ષ્યમંડપ તથા તેનો સરસામાન સાચવવાની સેવા સોંપવી. તેમણે સાક્ષ્યમંડપનો સરસામાન ઊંચકવો, તેની સંભાળ રાખવી અને સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે. જ્યારે તમે તમારો પડાવ બદલો ત્યારે લેવીઓ તે મંડપને છોડે અને ફરી નવા સ્થળે પડાવ નાખવાનો હોય ત્યાં મંડપને ઊભો કરે. તેમના સિવાય જો બીજો કોઈ મંડપની નજીક આવે તો તે માર્યો જશે. બીજા બધા ઇઝરાયલી લોકોએ પોતપોતાના સૈન્ય પ્રમાણે અને પોતાની ટુકડી પ્રમાણે વજ પાસે તંબૂ ઊભા કરવા. પણ લેવીઓએ સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે; જેથી તેઓ સાક્ષ્યમંડપની ચોકી કરે કે કોઈ તેની નજીક જઈને ઇઝરાયલી લોકોના સમાજ પર મારો કોપ પ્રગટાવે નહિ.” તેથી ઇઝરાયલી લોકોએ પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે બધું કર્યું. પ્રભુએ મોશે અને આરોનને આવી સૂચનાઓ આપી: “જ્યારે ઇઝરાયલી લોકો મુલાકાતમંડપની આસપાસ પડાવ નાખે ત્યારે દરેકે પોતપોતાના કુળના વજ અને ગોત્રના નિશાન પ્રમાણે પડાવ નાખવો. “પૂર્વ બાજુએ યહૂદાના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: [કુળ] — [આગેવાન] — [સંખ્યા] યહૂદા — આમ્મીનાદાબનો પુત્ર નાહશોન — 74,600 ઇસ્સાખાર — સૂઆરનો પુત્ર નાથાનાએલ — 54,400 ઝબુલૂન — હેલોનનો પુત્ર એલિયાબ — 57,400 — કુલ: — 186,400 યહૂદાના સૈન્યે સૌપ્રથમ આગેકૂચ કરવી. *** *** *** *** *** *** “દક્ષિણ બાજુએ રૂબેનના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: [કુળ] — [આગેવાન] — [સંખ્યા] રૂબેન — શદેઉરનોપુત્ર એલિસૂર — 46,500 શિમયોન — સુરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ — 59,300 ગાદ — દેઉએલનો પુત્ર એલ્યાસાફ — 45,650 — કુલ: — 151,450 રૂબેનનું સૈન્ય કૂચ કરતી વખતે બીજા ક્રમે રહે. *** *** *** *** *** *** “પ્રથમનાં બે સૈન્ય અને છેલ્લાં બે સૈન્યની વચ્ચે લેવીઓએ મુલાકાતમંડપનો સરસામાન ઊંચકીને કૂચ કરવી. દરેક સૈન્યે પોતપોતાના ક્રમ અને વજ પ્રમાણે કૂચ કરવી. “પશ્ર્વિમ બાજુએ એફ્રાઈમના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: [કુળ] — [આગેવાન] — [સંખ્યા] એફ્રાઈમ — આમ્મીહૂદનો પુત્ર એલિશામા — 40,500 મનાશ્શા — પદાહસૂરનો પુત્ર ગમાલીએલ — 32,200 બિન્યામીન — ગિદિયોનીનો પુત્ર અબિદાન — 35,400 — કુલ: — 108,100 એફ્રાઈમનું સૈન્ય કૂચ કરતી વખતે ત્રીજા ક્રમે રહે. *** *** *** *** *** *** “ઉત્તર બાજુએ દાનના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: [કુળ] — [આગેવાન] — [સંખ્યા] દાન — આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર — 62,700 આશેર — ઓક્રાનનો પુત્ર પાગીએલ — 41,500 નાફતાલી — એનાનનો પુત્ર અહીરા — 53,400 — કુલ: — 157,600 દાનના સૈન્યે કૂચ કરતી વખતે વજ સાથે છેલ્લે નીકળવાનું છે.” *** *** *** *** *** *** ઇઝરાયલી લોકોની તેમનાં સૈન્ય અને ટુકડીઓ પ્રમાણે વસતીગણતરી કરવામાં આવી, ત્યારે તેમની કુલ સંખ્યા 6,03,550ની હતી. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોની ગણતરીમાં લેવીકુળની નોંધ કરવામાં આવી ન હતી. તેથી પ્રભુએ મોશેને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ કર્યું. પોતપોતાના વજ પ્રમાણે તેઓ પડાવ નાખતા અને કૂચ કરતી વખતે પોતપોતાના ગોત્ર પ્રમાણે કુટુંબ સાથે ચાલી નીકળતા. પ્રભુ સિનાઈ પર્વત પર મોશે સાથે બોલ્યા ત્યારે આરોન અને મોશેનું કુટુંબ આ પ્રમાણે હતું: આરોનને ચાર પુત્રો હતા. જયેષ્ઠ નાદાબ, પછી અબીહૂ, એલાઝાર અને ઇથામાર. તેમનો યજ્ઞકાર તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો અને સેવા કરવાને અલગ કરવામાં આવ્યા હતા, પરંતુ નાદાબ અને અબીહૂ સિનાઈના રણપ્રદેશમાં પ્રભુની સમક્ષ અપવિત્ર અગ્નિ ચઢાવતાં માર્યા ગયા હતા. તેમને કોઈ સંતાન નહોતું. તેથી આરોનના જીવતાં સુધી એલાઝાર અને ઇથામારે યજ્ઞકાર તરીકેની સેવા બજાવી હતી. પ્રભુએ મોશેને કહ્યું, લેવીકુળને આગળ લાવ અને તેમને આરોન યજ્ઞકારની સમક્ષ રજૂ કર કે તેઓ તેની સેવા કરે. તેઓ મુલાકાતમંડપને લગતી ફરજો બજાવે અને સમગ્ર સમાજ તથા યજ્ઞકારોની સેવા કરે. તેમણે મુલાકાતમંડપનો સરસામાન સાચવવાનો છે અને મંડપને લગતી સેવા કરતાં સમગ્ર ઇઝરાયલી સમાજ પ્રત્યેની ફરજો અદા કરવાની છે. ઇઝરાયલી લોકો વતી આરોન અને તેના પુત્રોની સેવા કરવી તે જ લેવીઓની મુખ્ય જવાબદારી છે. આરોન તથા તેના પુત્રોની તું યજ્ઞકાર તરીકે નિમણૂક કર. જો બીજું કોઈ એ પદ ભોગવવાનો પ્રયત્ન કરે તો તે માર્યો જશે.” પ્રભુએ મોશેને કહ્યું, “હવે લેવીઓ મારા થશે. મેં ઇજિપ્તીઓના પ્રથમજનિતોનો સંહાર કર્યો ત્યારે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતોને તથા દરેક પ્રાણીના પ્રથમજનિતને મેં મારા કરી લીધા હતા. પરંતુ હવે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતોને બદલે લેવીઓ મારા થશે. તેઓ ઉપર મારો જ અધિકાર છે. હું પ્રભુ છું.” *** *** સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મોશેને કહ્યું, “એક મહિનાના અને તેથી વધુ ઉંમરના તેમના બધા પુરુષોની લેવીઓનાં ગોત્ર અને કુટુંબ પ્રમાણે નોંધણી કર.” *** પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ તેમની યાદી તૈયાર કરી. લેવીને ત્રણ પુત્રો હતા: ગેર્શોન, કહાથ અને મરારી. તેઓ તેમને નામે ઓળખાતા કુટુંબોના પૂર્વજો હતા. ગેર્શોનને બે પુત્રો હતા. લિબ્ની અને શિમઈ. કહાથને ચાર પુત્રો હતા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિએલ. મરારીને બે પુત્રો હતા: માહલી અને મૂશી. આ બધા તેમને નામે ઓળખાતા ગોત્રોના પૂર્વજો હતા. *** *** *** ગેર્શોનના ગોત્રમાં લિબ્ની અને શિમઈ એ બે કુટુંબો હતાં: એક મહિનાના અને તેથી વધુ ઉંમરના તેમના બધા પુરુષોની સંખ્યા સાત હજાર પાંચસોની હતી. આ ગોત્રે મંડપની પાછળ પશ્ર્વિમ તરફ પડાવ નાખવાનો હતો. તેમના ગોત્રનો આગેવાન લાએલનો પુત્ર એલ્યાસાફ હતો. ગેર્શોનના વંશજોએ મુલાકાતમંડપનો તંબૂ અને તેની અંદરનો પડદો, બહારનો પડદો, પ્રવેશદ્વારનો પડદો, મંડપ અને વેદીની આસપાસના ચોકના પડદાઓ, ચોકના પ્રવેશદ્વારનો પડદો અને તેનાં દોરડાંને લગતા કામની તમામ જવાબદારી સંભાળવાની હતી. કહાથના ગોત્રમાં આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિયેલ એટલાં કુટુંબો હતાં. એક મહિનાના અને તેથી વધુ ઉંમરના તેમના બધા પુરુષોની સંખ્યા આઠ હજાર છસોની હતી. તેમણે પવિત્રસ્થાનની સંભાળ રાખવાની હતી. આ કુટુંબોએ મંડપની દક્ષિણે પડાવ નાખવાનો હતો. ઉઝ્ઝિયેલનો પુત્ર એલિસાફાન તેમના ગોત્રનો આગેવાન હતો. તેમણે કરારપેટી, મેજ, દીપવૃક્ષ અને વેદીઓ, પવિત્રસ્થાનમાં યજ્ઞકારોએ વાપરવાનાં વાસણો અને પડદાની સંભાળ રાખવાની હતી. આ બધી વસ્તુઓને લગતા કામની તમામ જવાબદારી તેમની હતી. યજ્ઞકાર આરોનનો પુત્ર એલાઝાર લેવીકુળના આગેવાનનો વડો હતો અને પવિત્રસ્થાનમાં સેવા બજાવનારાઓનો ઉપરી હતો. મરારીના ગોત્રમાં માહલી અને મૂશીના કુટુંબો હતાં. એક મહિનાના અને તેથી વધુ ઉંમરના તેમના બધા પુરુષોની સંખ્યા છ હજાર બસોની હતી. અબીહાઈલનો પુત્ર સૂરીએલ તેમના ગોત્રનો આગેવાન હતો. તેમણે મંડપની ઉત્તરે પડાવ નાખવાનો હતો. મરારીના વંશજોએ મંડપના પાટિયાં, તેની વળીઓ, સ્થંભો, કૂંભીઓ તથા તેનાં બધાં ઓજારો અને એ બધાંને લગતા કામક્જની જવાબદારી સંભાળવાની હતી. એ ઉપરાંત ચોકની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલાઓ અને દોરડાંઓની સંભાળ પણ તેમણે રાખવાની હતી. મોશે, આરોન અને તેના પુત્રોના કુટુંબોએ મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ પડાવ નાખવાનો હતો. ઇઝરાયલી લોકો માટે પવિત્રસ્થાનમાં સેવા બજાવવાનું કાર્ય તેમનું હતું. જો કોઈ બીજો એ સેવા બજાવવા જાય તો તે માર્યો જશે. પ્રભુની આજ્ઞાથી મોશે તથા આરોને ગોત્ર પ્રમાણે કરેલી ગણતરી અનુસાર એક મહિનાના અને તેથી વધુ ઉંમરના બધા લેવી પુરુષોની કુલ સંખ્યા બાવીસ હજારની હતી. પ્રભુએ મોશેને કહ્યું, “એક મહિનાના અને તેથી વધુ ઉંમરના ઇઝરાયલીઓના બધા પ્રથમજનિતોની નામવાર નોંધણી કર; કારણ, ઇઝરાયલીઓના બધા પ્રથમજનિત મારા છે. હું પ્રભુ છું! હવે એ પ્રથમજનિતોને બદલે તું મને લેવીઓનું સમર્પણ કર. વળી, ઇઝરાયલીઓનાં પ્રથમ જન્મેલાં ઢોરઢાંકને બદલે લેવીઓનાં ઢોરઢાંક મને સોંપી દે.” પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ એક મહિનાના અને તેથી વધુ ઉંમરના ઇઝરાયલીઓના બધા પ્રથમજનિતની ગણતરી કરી. તેમની કુલ સંખ્યા બાવીસ હજાર બસો તોંતેરની થઈ. *** પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલીઓના બધા પ્રથમજનિતોને બદલે મને લેવીઓનું સમર્પણ કર અને ઇઝરાયલીઓના ઢોરઢાંકમાંના પ્રથમજનિતોને બદલે મને લેવીઓનાં ઢોરઢાંકનું સમર્પણ કર અને લેવીઓ મારા થશે. હું પ્રભુ છું. અને હવે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતની સંખ્યા લેવીઓના કરતાં બસો તોંતેર વધારે છે. તેથી તું એ વધારાના પુત્રો માટે મુક્તિમૂલ્ય અદા કરી તેમને છોડાવી લે. એટલે દરેકને માટે તું ચાંદીના પાંચ સિક્કા લે. (સિક્કાનું વજન પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે હોવું જોઈએ. એક સિક્કો બાર ગ્રામનો હોય છે.) અને વધારાના પુત્રો માટેના આ પૈસા તું આરોન અને તેના પુત્રોને મૂક્તિમૂલ્ય તરીકે આપી દે.” મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓના પ્રથમજનિતોની પાસેથી વધારાના પુત્રોના મુક્તિમૂલ્ય પેટે કુલ 1365 ચાંદીના સિક્કા (પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે) લીધા અને તે રકમ આરોન અને તેના પુત્રોને ચૂકવી દીધી. પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “લેવીકુળમાંના કહાથના કુટુંબમાં ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના જેઓ મુલાકાતમંડપમાં સેવા કરવાને લાયક હોય તે બધાની ગોત્ર અને કુટુંબ પ્રમાણે ગણતરી કર.” *** મુલાકાતમંડપમાં તેમની સેવા આ પ્રમાણે છે. પરમ પવિત્ર વસ્તુઓને લગતી સેવા આ પ્રમાણે છે. પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના દીકરાઓએ મંડપની અંદર જઈને સાક્ષ્યલેખની કરારપેટીની આગળનો પડદો ઉતારી લેવો અને તેનાથી કરારપેટીને ઢાંકી દેવી. તેના પર તેમણે પાતળા ચામડાનું આવરણ નાખવું, તેની ઉપર જાંબલી રંગનું વસ્ત્ર પાથરવું અને ઊંચકવા માટેના દાંડા પરોવવા. તેમણે ઈશ્વરને રોટલી અર્પવાની મેજ પર જાંબલી રંગનું વસ્ત્ર પાથરવું. તેના પર થાળીઓ, વાટકા, ધૂપદાનીઓ અને દ્રાક્ષાસવ અર્પણ કરવાનાં પાત્રો ગોઠવી દેવાં. મેજ પર હંમેશા પ્રભુને અર્પિત રોટલી રાખવી. ત્યાર પછી આ બધા પર જાંબલી રંગનું વસ્ત્ર પાથરવું અને પાતળા ચામડાનું આવરણ નાખવું અને ઊંચકવા માટેના દાંડા પરોવી દેવા. તેમણે જાંબલી રંગનું કપડું લઈ દીપવૃક્ષને તેના દીવા, ચીપિયા, તાસકો, સર્વ તેલ રાખવાનાં પાત્રો સાથે ઢાંકી દેવું. તેમણે પાતળા ચામડાના આવરણમાં આ બધી સામગ્રીને વીંટાળી દેવી અને ઊંચકવાની પાલખી પર મૂકવી. ત્યાર પછી તેમણે સોનાની વેદી પર જાંબલી રંગનું કપડું પાથરવું. તેના પર પાતળા ચામડાનું આવરણ ઢાંકી દેવું અને પછી ઊંચકવાના દાંડા પરોવી દેવા. પવિત્રસ્થાનમાં સેવા કરવાની સર્વ સામગ્રી એકઠી કરીને જાંબલી રંગના કપડામાં મૂકવી અને તેના પર પાતળા ચામડાનું આવરણ ઢાંકવું અને પછી ઊંચકવાની પાલખી ઉપર મૂકવી. તેમણે વેદી પરથી રાખ સાફ કર્યા પછી વેદી પર જાંબલી રંગનું કપડું પાથરી દેવું. અને તેના પર વેદીની સેવામાં વપરાતી બધી સાધનસામગ્રી એટલે, સગડીઓ, ચીપિયા, પાવડા અને તબકડાં મૂકવા. તેના પર પાતળા ચામડાનું આવરણ ઢાંકવું અને પછી ઊંચકવાના દાંડા પરોવી દેવા. પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના પુત્રો પવિત્રસ્થાન અને તેનો બધો સરસામાન ઢાંકી દે, ત્યાર પછી જ કહાથના પુત્રોએ તે ઉપાડવા માટે હાજર થવું. જો તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ કરશે તો માર્યા જશે. કહાથના પુત્રોની એ મુલાકાતમંડપને લગતી જવાબદારી છે. યજ્ઞકાર આરોનના પુત્ર એલાઝારની જવાબદારી દીવાનું તેલ, સુગંધીદાર ધૂપ, દરરોજનું ધાન્ય અર્પણ, અભિષેક માટેનું તેલ વગેરે સંભાળવાની છે. તે ઉપરાંત તેણે આખા પવિત્રસ્થાન અને તેના સરસામાનની સંભાળ રાખવાની છે. પ્રભુએ મોશેને તથા આરોનને કહ્યું, “પરમપવિત્ર વસ્તુઓની નજીક આવવાને લીધે કહાથના પુત્રોનું ગોત્ર લેવીકુળમાંથી નષ્ટ ન થઈ જાય તે માટે આરોન અને તેના પુત્રોએ અંદર પ્રવેશ કરવો અને દરેકને તેનું કાર્ય અને કઈ વસ્તુ ઊંચકવાની છે તેની જવાબદારી સોંપવી. પરંતુ કહાથના કુટુંબના કોઈએ એક ક્ષણ માટે પણ પવિત્ર વસ્તુઓ જોવા અંદર જવું નહિ; નહિ તો તે માર્યો જશે.” પ્રભુએ મોશેને કહ્યું, “લેવી- કુળના ગેર્શોનના વંશજોની ગોત્ર અને કુટુંબ પ્રમાણે વસતીગણતરી કર. અને ત્રીસથી પચાસ વર્ષ સુધીની ઉંમરના પુરુષો જેઓ મુલાકાતમંડપમાં સેવા કરવાને લાયક હોય તેમની નોંધણી કર. તેમણે નીચે પ્રમાણેની વસ્તુઓ ઊંચકવાની સેવા કરવાની છે. તેમણે મુલાકાતમંડપનો તંબુ અને અંદરનો પડદો, બહારનો પડદો, તેની ઉપરના પાતળા ચામડાનું આવરણ, મંડપના પ્રવેશદ્વારનો પડદો. મંડપ અને યજ્ઞવેદીની આસપાસના ચોકના પડદા અને દોરડાં, ચોકના પ્રવેશદ્વારનો પડદો અને તે બધાને લગતી સર્વ સાધનસામગ્રી તેમણે ઉપાડવાની છે, આરોન અને તેના પુત્રોની આજ્ઞા પ્રમાણે જ ગેર્શોનના વંશજોએ સર્વ સેવાઓ એટલે ઊંચકવાની જવાબદારી અને તેને લગતી બધી જવાબદારીઓ અદા કરવાની છે. મુલાકાતમંડપમાં ગેર્શોનના કુટુંબની એ સેવા છે. યજ્ઞકાર આરોનના પુત્ર ઇથામારની દેખરેખ નીચે તેમણે સેવા કરવી.” પ્રભુએ મોશેને કહ્યું, “લેવીકુળના મરારીના વંશની ગોત્ર અને કુટુંબ પ્રમાણે વસતી ગણતરી કર. ત્રીસથી પચાસ વર્ષ સુધીની ઉંમરના પુરુષો જેઓ મુલાકાતમંડપની સેવા કરવાને માટે લાયક હોય તેમની નોંધણી કર. તેમણે મુલાકાતમંડપની નીચેની વસ્તુઓ ઉપાડવાની છે.: મંડપના પાટિયાં, અને તેની વળીઓ, સ્તંભો અને તેમની કૂંભીઓ તથા મંડપની આસપાસના ચોકના સ્તંભો અને તેમની કુંભીઓ, ખીલા તથા દોરડાં અને મંડપને ઊભો કરવા માટેનાં તમામ ઓજારો અને તેને લગતી સાધનસામગ્રી; દરેક માણસે અમુક ચોક્કસ વસ્તુ ઉપાડવાની છે. મરારીના પુત્રોના કુટુંબોએ આ પ્રમાણેની સેવા કરવાની છે. મુલાકાતમંડપમાં તેમનાં બધાં કામો પર યજ્ઞકાર આરોનના પુત્ર ઇથામારે દેખરેખ રાખવાની છે.” પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે મોશે, આરોન અને ઇઝરાયલી સમાજના આગેવાનોએ લેવીકુળના ત્રણ મુખ્ય ગોત્રો કહાથ, ગેર્શોન અને મરારીના લોકોની ગણતરી ગોત્ર અને કુટુંબ પ્રમાણે કરી. તેમણે ત્રીસથી પચાસ વર્ષ સુધીની ઉંમરના મુલાકાતમંડપને ઉપાડવા તેમજ તેમાં સેવા કરવાને લાયક એવા તમામ માણસોની નોંધણી કરી. તે નીચે પ્રમાણે છે: [ગોત્ર] — [સંખ્યા] કહાથ — 2,750 ગેર્શોન — 2,630 મરારી — 3,200 કુલ: — 8,580 *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે દરેક માણસની નોંધણી કરવામાં આવી; અને મોશે દ્વારા પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે દરેકને સેવા કરવાની કે વસ્તુ ઉપાડવાની ચોક્કસ જવાબદારી સોંપવામાં આવી. પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલી લોકોને આજ્ઞા આપ: જેમને રક્તપિત્ત થયો હોય, જેમના શરીરમાંથી સ્રાવ થતો હોય અને જે કોઈ શબને અડકવાથી અશુદ્ધ થયા હોય તેમને તેઓ છાવણીમાંથી બહાર કાઢે. પુરુષ હોય કે સ્ત્રી હોય, તમારે તેમને છાવણી બહાર કાઢવાં. હું મારા લોકો મધ્યે વસું છું અને છાવણી તેમનાથી અશુદ્ધ થાય નહિ એ માટે એવાંને છાવણી બહાર રાખવાં.” ઇઝરાયલી લોકોએ પ્રભુની આજ્ઞા પ્રમાણે તેવાંઓને છાવણી બહાર કાઢયાં. પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલી લોકોને કહે કે જો કોઈ પુરુષ કે સ્ત્રી પ્રભુ પ્રત્યેની નિષ્ઠા તોડીને માનવસહજ પાપ કરીને બીજાનું નુક્સાન કરે તો તેથી તે દોષિત ઠરે. તેણે પોતાનાં પાપની કબૂલાત કરવી અને નુક્સાન ભોગવનારને પૂરેપૂરી નુક્સાની ભરપાઈ કરી આપવી અને વધારાના વીસ ટકા આપવા. હવે જો તે માણસ મરી ગયો હોય અને ચૂકવણી કરવા માટે તેનું કોઈ નજીકનું સગું પણ ન હોય તો પછી ચૂકવણીની રકમ યજ્ઞકારને આપવી. તે ઉપરાંત પ્રાયશ્ર્વિત માટે પ્રભુને અર્પણ કરવાનો ઘેટો યજ્ઞકારને આપવો. જેથી યજ્ઞકાર તે દ્વારા દોષિત માટે પ્રાયશ્ર્વિત કરે. ઇઝરાયલી લોકો પવિત્ર વસ્તુઓના વિશિષ્ટ હિસ્સાનું અર્પણ યજ્ઞકાર પાસે લાવે તો તે યજ્ઞકારનું થાય, અને વ્યક્તિ યજ્ઞકારને જે કંઈ પવિત્ર ભેટ અર્પણ કરે તે પણ યજ્ઞકારની જ ગણાય.” પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલીઓને તું નીચે પ્રમાણે સૂચના આપ: જો કોઈ માણસની પત્ની વંઠી જઈને બેવફા થાય, અને બીજો કોઈ પુરુષ તેની સાથે વ્યભિચાર કરે અને એ બાબત તેના પતિની આંખોથી છૂપી રહે અને તે સ્ત્રી દોષિત હોવા છતાં તેની વિરુદ્ધ કોઈ સાક્ષી ન હોય અને તે વ્યભિચાર કરતાં પકડાઈ ન હોવાથી એ બાબત ગુપ્ત રહી હોય, અને પતિના મનમાં સંશય આવે અને પોતાની પત્ની પ્રત્યે શક જાય ત્યારે અથવા કોઈ પતિના મનમાં સંશય આવે અને પત્ની ભ્રષ્ટ ન થઈ હોવા છતાં તેને પત્ની પ્રત્યે શક જાય ત્યારે, એ બેમાંથી કોઈપણ કિસ્સામાં પતિએ પોતાની પત્નીને યજ્ઞકાર સમક્ષ લઈ જવી. તે સાથે તેણે અર્પણને માટે જવનો આશરે એક કિલો લોટ લાવવો. તેના પર તેલ રેડવામાં ન આવે કે લોબાન મૂકવામાં ન આવે; કારણ, એ તો સંશયનિવારણ માટે ગુનાની યાદ દેવડાવનારું અને તેને સાબિત કરવા માટેનું ધાન્યઅર્પણ છે. યજ્ઞકાર તે સ્ત્રીને આગળ લાવીને પ્રભુ સમક્ષ ઊભી કરે. યજ્ઞકાર માટીના પાત્રમાં પવિત્ર પાણી રેડે અને તે પાણીમાં મુલાકાતમંડપના ભોંયતળિયાની થોડી ધૂળ નાખે. ત્યાર પછી યત્રકાર તે સ્ત્રીને પ્રભુ સમક્ષ ઊભી રાખી તેના માથાના વાળ છોડી નાખે અને તેના હાથમાં સંશયનિવારણ અર્થે યાદગીરીનું ધાન્યઅર્પણ આપે. યજ્ઞકાર પોતાના હાથમાં ક્સોટીના શાપકારક પાણીનું પાત્ર રાખે. પછી યજ્ઞકાર તે સ્ત્રી પાસે પોતે નિર્દોષ છે એવા શપથ લેવડાવે અને પછી તે સ્ત્રીને કહે, ‘જો તેં પરપુરુષ સાથે વ્યભિચાર કર્યો ન હોય અને પતિના અધિકાર નીચે હતી ત્યારે વંઠી જઈને તારી જાતને ભ્રષ્ટ કરી ન હોય, તો આ ક્સોટીના શાપકારક પાણીની વિપરીત અસરથી તું મુક્ત રહેશે. પણ તારા પતિના અધિકાર નીચે હોવા છતાં તેં વંઠી જઈને વ્યભિચાર કર્યો હોય અને તારી જાતને ભ્રષ્ટ કરી હોય, તો (અહીં યજ્ઞકાર સ્ત્રીને સોગનપૂર્વકના શાપ હેઠળ મૂક્તાં કહેશે) પ્રભુ તને તારા લોકોમાં શાપરૂપ અને ધિક્કારપાત્ર કરો, તારા ગર્ભાશયને સડાવી દો અને તારા પેટને સુજાવી દો. આ શાપકારક પાણી તારા પેટમાં પ્રવેશતાં જ તારું ગર્ભાશય સડી જાઓ અને તારું પેટ સૂજી જાઓ.’ ત્યારે તે સ્ત્રી કહે, ‘આમીન, આમીન.’ “ત્યાર પછી યત્રકારે આ શાપને ચર્મપત્ર પર લખી લેવો અને તેને પેલા ક્સોટીના પાણીમાં ધોઈ નાખવો. પછી તેણે એ સ્ત્રીને શાપકારક ક્સોટીનું પાણી પીવડાવવું અને શાપકારક પાણી તેનામાં પ્રવેશીને ક્સોટી કરશે. પછી યજ્ઞકારે સ્ત્રીના હાથમાંથી સંશય માટે ધાન્યઅર્પણ લઈને પ્રભુને તેની આરતી કરીને વેદી પર મૂકી દેવું. અને તેણે ધાન્યઅર્પણમાંથી યાદગીરીના હિસ્સા તરીકે મુઠ્ઠીભર લઈને વેદી પર તેનું દહન કરવું, અને પછી સ્ત્રીને તે પાણી પીવડાવી દેવું. અને પાણી પીવડાવ્યા પછી એમ થશે કે જો તે સ્ત્રીએ પતિને બેવફા થઈને પોતાની જાતને ભ્રષ્ટ કરી હશે તો શાપકારક પાણી પેટમાં ઊતરતાં જ ક્સોટી કરશે અને પેટને સુજાવી દેશે અને ગર્ભાશય સડી જશે અને તે સ્ત્રી પોતાના લોકોમાં શાપરૂપ બની જશે. પણ જો તે સ્ત્રી ભ્રષ્ટ બની નહિ હોય અને શુદ્ધ હશે તો તેને કંઈ નુક્સાન થશે નહિ અને તે ગર્ભધારણ કરી શકશે. “પતિના સંશયને લગતો આ નિયમ છે: જ્યારે પત્ની પતિના અધિકાર તળે હોવા છતાં વંઠી જઈને પોતાની જાતને ભ્રષ્ટ કરે, અથવા પુરુષના મનમાં સંશય ઉત્પન્‍ન થાય અને તેને પત્ની પ્રત્યે શક જાય ત્યારે તેણે પત્નીને પ્રભુ સમક્ષ રજૂ કરવી અને યજ્ઞકાર તે સ્ત્રી માટે આ સર્વ નિયમ પ્રમાણે વિધિ કરે. આ રીતે પતિના સંશયનું નિવારણ થશે અને પત્ની દોષિત હશે તો તે સજા ભોગવશે.” પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે સૂચનાઓ આપ: જો કોઈ પુરુષ કે સ્ત્રી પ્રભુને માટે સમર્પિત થવા “નાઝીરી” થવાનું ખાસ વ્રત લે તો તેણે દ્રાક્ષાસવ તથા કેફી પીણાથી દૂર રહેવું; તેણે દ્રાક્ષાસવ કે કેફી પીણામાંથી બનાવેલ સરકો પીવો નહિ. તેણે દ્રાક્ષમાંથી બનાવેલું કોઈપણ જાતનું પીણું પીવું નહિ કે તાજી કે સૂકી દ્રાક્ષ ખાવી નહિ. જ્યાં સુધી તેનું નાઝીરી વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે બીથી છાલ સુધીનું દ્રાક્ષવેલાની નીપજમાંથી કંઈ ખાવું નહિ. નાઝીરી વ્રતમાં અલગતાના સર્વ દિવસો દરમિયાન તેણે માથાના વાળ કપાવવા નહિ કે દાઢી કરવી નહિ. વ્રત પૂરું ન થાય ત્યાં સુધી તે પ્રભુને સમર્પિત થયેલ છે. તેણે તેના વાળ તેમજ દાઢી વધવા દેવાં. તેના વાળ તે પ્રભુને સમર્પિત થવાની નિશાની છે. પ્રભુ પ્રત્યેના સમર્પણના સઘળા સમય દરમ્યાન તેણે પોતાની જાતને મૃતદેહ પાસે જઈને અશુદ્ધ કરવી નહિ. પછી તે પોતાનાં માતા, પિતા, ભાઈ કે બહેનનું મરણ કેમ ન હોય! *** જ્યાં સુધી તે પોતે નાઝીરી છે ત્યાં સુધી તે પ્રભુને સમર્પિત છે. “જો કોઈ માણસ નાઝીરીની નજીક અચાનક મૃત્યુ પામે અને તેથી નાઝીરીના સમર્પિત વાળ અશુદ્ધ થાય તો તેણે સાત દિવસ સુધી રાહ જોવી અને પછી સાતમે દિવસે પોતાના વાળ કાપી નંખાવવા અને આમ તે વિધિગત રીતે શુદ્ધ ગણાશે. આઠમે દિવસે તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વારે યજ્ઞકાર પાસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવવાં. યજ્ઞકાર એકનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજાનું દહનબલિ તરીકે અર્પણ કરે. મૃતદેહને અડકવાથી નાઝીરી અશુદ્ધ થયો હતો માટે શુધિકરણનો આ વિધિ કરવામાં આવે. તે જ દિવસથી તે પોતાના શિરને ફરીથી સમર્પિત કરે અને વાળ ફરીથી વધવા દે અને નવેસરથી પ્રભુને પોતાના નાઝીરીપણાના દિવસો સમર્પિત કરીને નાઝીરીવ્રતની શરૂઆત કરે. પહેલાંનો સમય રદબાતલ ગણાય; કારણ, વ્રતભંગ થયો હતો. તેના દોષનિવારણબલિ તરીકે તેણે એક વર્ષનો ઘેટો આપવો. “નાઝીરીવ્રતની સમાપ્તિ માટે નીચેનો વિધિ કરવામાં આવે: તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ જવું. તેણે કોઈપણ જાતની ખોડ વગરનાં ત્રણ પ્રાણીઓ પ્રભુને અર્પણ કરવાં. દહનબિલ માટે એક વર્ષનો નરહલવાન, પ્રાયશ્ર્વિતબલિ માટે એક વર્ષની ઘેટી અને સંગતબલિને માટે એક ઘેટો. તે ઉપરાંત ખમીર વગરની રોટલીની એક ટોપલી, મોણ દીધેલા લોટની ભાખરીઓ, ખમીર વગરના તેલથી મોહેલા ખાખરા અને જરૂરી ઘાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચઢાવવાં. યજ્ઞકારે આ બધાને પ્રભુની સમક્ષ રજૂ કરવાં અને તેમાંથી પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ ચઢાવવાં. તેણે ખમીર વગરની રોટલીની ટોપલી સાથે ઘેટાને સંગતબલિ તરીકે અર્પણ કરવા અને તે ઉપરાંત ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચઢાવવાં. નાઝીરીએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ પોતાના સમર્પિત માથાના વાળ કપાવવા અને સમર્પિત વાળને સંગતબલિના અગ્નિમાં સળગાવી દેવા. “હવે જ્યારે ઘેટાનું બાવડું શેકાઈ જાય ત્યારે યજ્ઞકારે શેક્યેલું બાવડું, ટોપલીમાંથી ખમીર વગરની એક ભાખરી અને ખમીર વગરનો ખાખરો નાઝીરીના હાથમાં તે તેના સમર્પિત વાળ કપાવે ત્યાર પછી મૂકવો. ત્યાર પછી યજ્ઞકારે એ વસ્તુઓનું પ્રભુની આગળ આરતી ઉતારીને આરતીઅર્પણ કરવું. આ વસ્તુઓ પવિત્ર અર્પણમાં યજ્ઞકારનો હિસ્સો છે. તે ઉપરાંત આરતીઅર્પણનો છાતીનો ભાગ અને વિશિષ્ટ હિસ્સાના અર્પણના પગનો ભાગ પણ યજ્ઞકારનો ગણાય. આ વિધિ પૂરો થયા પછી નાઝીરીને ફરીથી દ્રાક્ષાસવ પીવાની છૂટ છે.” નાઝીરીવ્રત વખતે પ્રભુને અર્પણ ચઢાવવા અંગેનો આ નિયમ છે: હવે જો નાઝીરીએ તેના વ્રત માટે જરૂરી હોય એ ઉપરાંત પ્રભુને બીજુ કંઈ અર્પણ ચઢાવવાને માનતા લીધી હોય તો તે તેણે પૂર્ણ કરવી. પ્રભુએ મોશેને કહ્યું, “તું આરોન અને તેના પુત્રોને આ પ્રમાણે કહે: તમારે ઇઝરાયલી લોકોને નીચે પ્રમાણે આશિષ આપવી: ‘પ્રભુ તમને આશિષ આપો, અને તમારી સંભાળ રાખો; પ્રભુ પોતાના મુખનો પ્રકાશ તમારા પર પાડો, અને તમારા પર કૃપા દર્શાવો; પ્રભુની અમીદૃષ્ટિ તમારા પર હો, અને તે તમારું કલ્યાણ કરો.” અને પ્રભુએ કહ્યું, “એમ તેઓ ઇઝરાયલી લોકોને માટે મારે નામે આશિષ ઉચ્ચારશે અને હું તેમને આશિષ આપીશ.” મોશેએ જે દિવસે મુલાકાતમંડપ ઊભો કરવાનું કાર્ય પૂર્ણ કર્યું તે જ દિવસે તેણે મંડપનો, તેના સર્વ સરસામાનનો તથા વેદી અને તેનાં બધાં પાત્રોનો અભિષેક કર્યો અને તે બધાં પ્રભુને સમર્પિત કર્યાં. ત્યાર પછી જે મુખ્ય આગેવાનો વસતીગણતરીના કાર્ય માટે ઇઝરાયલીઓના કુટુંબોમાંથી પસંદ કરેલા હતા, તેઓ પ્રભુની સંમુખ પોતાનાં અર્પણો લાવ્યા: છત્રવાળાં કુલ છ ગાડાં અને બાર બળદો; દર બે આગેવાનો માટે એક ગાડું અને પ્રત્યેક આગેવાનને માટે એક બળદ. તેમણે તેમને પ્રભુની સમક્ષ રજૂ કર્યાં. પછી પ્રભુએ મોશેને કહ્યું, “આ ભેટો તું સ્વીકારી લે. મુલાકાતમંડપની સેવા માટે તે જરૂરી છે. તું તે લેવીઓને આપ; પ્રત્યેકને તેમની સેવા પ્રમાણે સોંપ” તેથી મોશેએ ગાડાં અને બળદ સ્વીકારીને લેવીઓને આપી દીધાં તેણે ગેર્શોનીઓને બે ગાડાં અને ચાર બળદો આપ્યાં. મરારીઓને ચાર ગાડાં અને આઠ બળદો આપ્યાં. યજ્ઞકાર આરોનના પુત્ર ઇથામારની દેખરેખ નીચે તેમણે સેવા બજાવવાની હતી. પરંતુ મોશેએ કહાથીઓને કશું જ આપ્યું નહિ. કારણ, જે પવિત્ર વસ્તુઓની સેવા તેઓને સોંપવામાં આવી હતી, તે તેમણે પોતાના ખભા ઉપર જ ઊંચકવાની હતી. જે દિવસે વેદીનો અભિષેક કરવામાં આવ્યો તે દિવસે આગેવાનો વેદીની પ્રતિષ્ઠા માટે અર્પણો લાવ્યા. તેઓ વેદીની સમક્ષ પોતાનું અર્પણ રજૂ કરવા તૈયાર હતા ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “બાર દિવસ સુધી દરરોજ એક એક આગેવાન વેદીની પ્રતિષ્ઠા માટેનાં અર્પણો વારાફરતી રજૂ કરે.” તેમણે પોતાનાં અર્પણો નીચેના ક્રમમાં રજૂ કર્યાં. [દિવસ] — [કુળ] — [આગેવાન] પહેલો — યહૂદા — આમ્મીનાદાબનો પુત્ર નાહશોન બીજો — ઇસ્સાખાર — સૂઆરનો પુત્ર નાથાનાએલ ત્રીજો — ઝબુલૂન — હેલોનનો પુત્ર એલિયાબ ચોથો — રૂબેન — શદેઉરનો પુત્ર એલિસૂર પાંચમો — શિમયોન — સૂરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ છઠ્ઠો — ગાદ — દેઉએલનો પુત્ર એલ્યાસાફ સાતમો — એફ્રાઇમ — આમ્મીહૂદનો પુત્ર એલિશામા આઠમો — મનાશ્શા — પદાહસૂરનો પુત્ર ગમાલિયેલ નવમો — બિન્યામીન — ગિદિયોનીનો પુત્ર અબિદાન દસમો — દાન — આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર અગિયારમો — આશેર — ઓક્રાનનો પુત્ર પાગીએલ બારમો — નાફતાલી — એનાનનો પુત્ર અહીરા બધા આગેવાન જે ભેટો લાવ્યા તે એક્સરખી હતી: પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે આશરે દોઢ કિલોગ્રામ ચાંદીનો થાળ અને આશરે પોણા કિલોગ્રામ ચાંદીનો પ્યાલો. આ બંને પાત્રોમાં ધાન્યઅર્પણ માટે તેલથી મોહેલો લોટ ભરેલો હતો. એ ઉપરાંત આશરે એક્સોદસ ગ્રામ સોનાનું ધૂપથી ભરેલું ધૂપપાત્ર હતું. દહનબલિને માટે એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષનો નર હલવાન હતા. પ્રાયશ્ર્વિતબલિને માટે એક બકરો હતો. તે ઉપરાંત સંગતબલિ માટે બે વાછરડા, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન હતાં. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** યજ્ઞવેદીના પ્રતિષ્ઠાર્પણવિધિ પ્રસંગે ઇઝરાયલીના કુટુંબોનાં બાર આગેવાનોએ આપેલી કુલ ભેટો નીચે પ્રમાણે છે: ચાંદીના બાર થાળ અને ચાંદીના બાર પ્યાલા અને સોનાનાં બાર ધૂપપાત્રો. પવિત્રસ્થાન તોલમાપ પ્રમાણે દરેક થાળનું વજન આશરે દોઢ કિલો હતું, પ્યાલાનું વજન આશરે પોણો કિલોગ્રામ હતું. સોનાના ધૂપપાત્રનું વજન આશરે 110 ગ્રામ હતું. દહનબલિને માટે પ્રાણીઓની કુલ સંખ્યા આ પ્રમાણે હતી: બાર વાછરડા, બાર ઘેટા, એક વર્ષની ઉંમરના બાર નર હલવાન; તે સાથે જરૂરી ધાન્યઅર્પણ. પ્રાયશ્ર્વિતબલિ માટે કુલ બાર બકરા હતા. તે ઉપરાંત સંગતબલિ માટે પ્રાણીઓની કુલ સંખ્યા આ પ્રમાણે હતી: ચોવીસ આખલા, સાઠ ઘેટા, સાઠ બકરા અને એક વર્ષની ઉંમરનાં સાઠ હલવાન. વેદીની પ્રતિષ્ઠાર્પણવિધિ પ્રસંગે આ ભેટોનું અર્પણ કરવામાં આવ્યું. *** *** *** *** જ્યારે મોશે પ્રભુની સાથે વાત કરવાને મુલાકાતમંડપમાં અંદર ગયો ત્યારે તેણે પાંખવાળા બે કરૂબોની વચ્ચે આવેલી સાક્ષ્યલેખની કરારપેટી ઉપરના ઢાંકણ એટલે દયાસન પરથી પ્રભુની વાણી સાંભળી, અને પ્રભુ તેની સાથે બોલ્યા. પ્રભુએ મોશેને કહ્યું, “તું આરોનને આ પ્રમાણે કહે: તું જ્યારે દીપવૃક્ષ પર સાત દીવા ગોઠવે ત્યારે તેમને એવી રીતે ગોઠવ કે પ્રકાશ દીપવૃક્ષની આગળના ભાગમાં પડે.” આરોને તે પ્રમાણે કર્યું. તેણે દીપવૃક્ષની આગળ પ્રકાશ પડે તે રીતે દીવા ગોઠવ્યા. આખા દીપવૃક્ષની કારીગરી ઘડેલા સોનાની હતી, એટલે બેઠકથી ફૂલો સુધી તે સોનામાંથી ઘડીને બનાવેલું હતું. પ્રભુએ મોશેને બતાવેલા નમૂના પ્રમાણે તે બનાવવામાં આવ્યું હતું. પ્રભુએ મોશેને કહ્યું, “લેવીઓને બાકીના ઇઝરાયલીઓમાંથી અલગ કર અને આ પ્રમાણે તેમનું શુદ્ધિકરણ કર. તેમના પર શુદ્ધિકરણનું પાણી છાંટવું. ત્યાર પછી તેઓ પોતાના આખા શરીરના વાળ ઊતરાવે, પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, અને ત્યારે તેઓ વિધિગત રીતે શુદ્ધ થયેલા ગણાશે. ત્યાર પછી તેમણે એક વાછરડો અને મોહેલા લોટનું ધાન્યઅર્પણ લેવાં અને બીજો એક વાછરડો પ્રાયશ્ર્વિતબલિ તરીકે લેવો. પછી તું આખા ઇઝરાયલી સમાજને એકત્ર કર અને લેવીઓને મુલાકાતમંડપની સામે ઊભા રાખ. તું લેવીઓને પ્રભુ સમક્ષ રજૂ કર ત્યારે ઇઝરાયલીઓ લેવીઓના માથા પર પોતાના હાથ મૂકે. પછી આરોન લેવીઓને ઇઝરાયલીઓ તરફથી આરતીઅર્પણ તરીકે મને સમર્પિત કરે જેથી તેઓ મારી સેવા કરવા તૈયાર થાય. ત્યાર પછી લેવીઓ બંને વાછરડાઓના માથા ઉપર પોતાના હાથ મૂકે. એક વાછરડો પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજો દહનબલિ તરીકે પ્રભુની સમક્ષ લેવીઓના પ્રાયશ્ર્વિત માટે અર્પણ કરવો. તારે લેવીઓનું આરતીઅર્પણ તરીકે અર્પણ કરવું અને તેમને આરોન અને તેના પુત્રો સમક્ષ રજૂ કરવા. આ રીતે બીજા ઇઝરાયલીઓમાંથી તું લેવીઓને અલગ કર જેથી તેઓ મારા બની રહે. તું લેવીઓનું શુદ્ધિકરણ કરે અને આરતીઅર્પણ તરીકે સમર્પણ કરે ત્યાર પછી તેઓ મુલાકાતમંડપની સેવા કરવાને માટે યોગ્ય ગણાશે. ઇઝરાયલના પ્રથમજનિતોને બદલે મેં તેમને માગી લીધેલા છે. તેઓ મારા જ છે. જ્યારે મેં ઇજિપ્તના પ્રથમજનિતોને મારી નાખ્યા ત્યારે મેં ઇઝરાયલીઓના પ્રથમજનિત પુરુષ કે પ્રાણીને મારા માટે અલગ કર્યાં હતાં. હવે ઇઝરાયલના પ્રથમજનિતોને બદલે હું લેવીઓને રાખી લઉં છું. હવે હું બધા ઇઝરાયલીઓ તરફથી લેવીઓને આરોન તથા તેના પુત્રોને ભેટ તરીકે આપું છું. જેથી તેઓ ઇઝરાયલીઓ માટે મુલાકાતમંડપમાં સેવા કરે અને તેમને માટે પ્રાયશ્ર્વિત કરે અને પરમ પવિત્રસ્થાનની નજીક આવવાથી થતા સંહારથી ઇઝરાયલીઓનું રક્ષણ થાય.” તેથી મોશે, આરોન અને ઇઝરાયલના સમગ્ર સમાજે લેવીઓને પ્રભુની આજ્ઞા પ્રમાણે સમર્પિત કર્યા. લેવીઓએ પોતાનું શુદ્ધિેકરણ કર્યું અને તેમણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખ્યાં અને આરોને તેમને આરતીઅર્પણ તરીકે પ્રભુને આપી દીધા. તેણે તેમને શુધ કરવા માટેનો પ્રાયશ્ર્વિતનો વિધિ પણ કર્યો. પ્રભુએ લેવીઓ સંબંધી મોશેને આપેલી બધી આજ્ઞાઓનું પાલન કરવામાં આવ્યું ત્યાર પછી લેવીઓ આરોન અને તેના પુત્રોની દેખરેખ નીચે મુલાકાતમંડપમાં સેવા કરવાને માટે ગયા. પ્રભુએ મોશેને કહ્યું, “લેવીઓએ પચીસ વર્ષની ઉંમરે મુલાકાતમંડપમાં સેવા કરવાની શરૂઆત કરવી, અને પચાસ વર્ષની ઉંમરે સેવામાંથી નિવૃત્ત થવું. ત્યાર પછી તેઓ મુલાકાતમંડપમાં સેવા કરતા પોતાના સાથીભાઈને મદદ કરી શકે, પણ જાતે કોઈ સેવા કરે નહિ. આ રીતે લેવીઓની સેવા સંબંધી તારે વ્યવસ્થા કરવી.” ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા તે પછીના બીજા વર્ષના પ્રથમ મહિનામાં સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મોશેને કહ્યું, “આ મહિનાના ચૌદમા દિવસે નિયત સમયે સૂર્યાસ્તથી શરૂઆત કરીને ઇઝરાયલીઓએ પાસ્ખાપર્વ તેના બધા નિયમો અને વિધિઓ પ્રમાણે પાળવાનું છે.” *** તેથી મોશેએ ઇઝરાયલીઓને પાસ્ખાપર્વ પાળવાની આજ્ઞા કરી. તેથી પ્રથમ મહિનાના ચૌદમા દિવસની સાંજથી સિનાઈના રણપ્રદેશમાં તેમણે પાસ્ખાપર્વ પાળ્યું. પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે ઇઝરાયલીઓએ પર્વ પાળ્યું. હવે કેટલાક લોકો મૃતદેહનો સ્પર્શ કરવાને લીધે અશુધ હતા. તેથી તે દિવસે તેઓ પાસ્ખાપર્વ પાળી શકે એમ નહોતું. તે જ દિવસે તેઓ મોશે અને આરોનની પાસે આવ્યા, અને કહ્યું, “મૃતદેહનો સ્પર્શ કરવાને લીધે અમે અશુધ થયા છીએ, પરંતુ બીજા ઇઝરાયલીઓની સાથે નિયત સમયે પ્રભુને અર્પણ કરતાં અમને શા માટે અટકાવવામાં આવે છે?” મોશેએ જવાબ આપ્યો, “હું પ્રભુ પાસેથી સૂચનાઓ મેળવું ત્યાં સુધી તમે થોભી જાઓ.” પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને કહે કે તમારામાંથી અથવા તમારા વંશમાંથી મૃતદેહનો સ્પર્શ થવાને લીધે કોઈ માણસ અશુધ થયો હોય અથવા દૂર દેશમાં મુસાફરી કરતો હોય તો તેણે પ્રભુનું પાસ્ખાપર્વ આ પ્રમાણે પાળવું. એવા માણસે એક મહિના પછી બીજા મહિનાના ચૌદમા દિવસે સાંજના સમયે પાસ્ખાપર્વ પાળવું. ખમીર વગરની રોટલી અને કડવી ભાજી સાથે તે ખાવું. બીજા દિવસની સવાર સુધી તેમાંનો કંઈ ખોરાક રાખી મૂકવો નહિ અને પ્રાણીનું એકે હાડકું ભાંગવું નહિ. પાસ્ખાપર્વ તેના સર્વ નિયમો અને વિધિ અનુસાર પાળવામાં આવે. હવે જો કોઈ શુધ હોય અને પ્રવાસમાં દૂર ગયો ન હોય છતાં પાસ્ખાપર્વ પાળે નહિ, તો ઇઝરાયલના સમાજમાંથી તેનો બહિષ્કાર કરવો. કારણ, તેણે નિયત સમયે મને અર્પણ ચઢાવ્યું નથી. તેણે પોતાના પાપની સજા ભોગવવી જ રહી. “તમારી વચ્ચે કોઈ પરદેશી વસતો હોય અને જો તે પ્રભુના પાસ્ખાપર્વની ઉજવણી કરવા માંગતો હોય તો તેણે પાસ્ખાના બધા નિયમો અને વિધિઓ અનુસાર પર્વની ઉજવણી કરવી. દેશના વતની અને બહારથી આવીને વસેલા પરદેશી બંનેને સમાન નિયમ લાગુ પડે છે.” સાક્ષ્યમંડપ, એટલે મુલાકાતમંડપ ઊભો કરવામાં આવ્યો તે દિવસે વાદળે આવીને તેને ઢાંકી દીધો. રાત્રિને સમયે સવાર સુધી તે વાદળ અગ્નિરૂપ લાગતું હતું. આ પ્રમાણે ચાલુ જ રહેતું. દિવસે વાદળ મંડપને ઢાંકી દેતું અને રાત્રે તેનો દેખાવ અગ્નિના જેવો લાગતો. જ્યારે વાદળ મંડપ પરથી ખસતું ત્યારે ઇઝરાયલીઓ પડાવ ઉઠાવતા અને જે જગ્યાએ વાદળ થંભીને નીચે ઊતરતું ત્યાં ઇઝરાયલીઓ મુકામ કરતા. પ્રભુની આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓ પડાવ ઉઠાવતા અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેઓ પડાવ નાખતા. જ્યાં સુધી વાદળ મંડપ ઉપર રહેતું ત્યાં સુધી તેઓ પોતાનો પડાવ ચાલુ રાખતા. જો લાંબા સમય સુધી વાદળ મંડપ ઉપર રહે તો ઇઝરાયલીઓ પ્રભુની આજ્ઞાનું પાલન કરીને આગળ જતા નહિ. કેટલીક વાર વાદળ થોડા જ દિવસ મંડપ ઉપર રહેતું. ગમે તે પરિસ્થિતિ હોય, પ્રભુની આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓ પડાવ નાખતા કે પડાવ ઉઠાવતા. કોઈવાર વાદળ સાંજથી સવાર સુધી જ મંડપ પર રહેતું. વાદળ ખસતાં જ તેઓ પડાવ ઉઠાવતા. દિવસ હોય કે રાત હોય વાદળ ખસતાં જ તેઓ પડાવ ઉઠાવતા. જ્યાં સુધી વાદળ મંડપ ઉપર રહે, પછી એ બે દિવસ હોય, મહિનો હોય કે તેથી વધુ સમય હોય; ત્યાં સુધી ઇઝરાયલીઓ પડાવ ઉઠાવતા નહિ. વાદળ ખસતાં જ તેઓ પડાવ ઉઠાવતા. પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓ પડાવ નાખતા અને પ્રભુની આજ્ઞા થતાં જ તેઓ પડાવ ઉઠાવતા. પ્રભુએ મોશેને કહ્યું, “તું ચાંદીમાંથી ઘડીને બે રણશિંગડાં બનાવ. લોકોને એકત્ર કરવા અને પડાવ ઉપાડવાના કામ માટે તેમનો ઉપયોગ કર. જ્યારે બંને રણશિંગડાં એક સાથે લાંબે સૂરે વગાડવામાં આવે ત્યારે સમગ્ર સમાજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તારી સમક્ષ એકત્ર થવું. પણ એક જ રણશિંગડું વગાડવામાં આવે તો માત્ર ગોત્રના આગેવાનોએ જ તારી પાસે એકત્ર થવું. જ્યારે રણશિંગડું યુધનાદ માટે તૂટક તૂટક વગાડવામાં આવે ત્યારે પૂર્વ દિશામાં આવેલાં કુળોએ કૂચ કરવી. જો રણશિંગડું બીજી વાર યુધનાદની જેમ તૂટક તૂટક વગાડવામાં આવે તો દક્ષિણ દિશામાં આવેલાં કુળોએ કૂચ કરવી. કૂચ કરવા માટે રણશિંગડું તૂટક તૂટક અવાજે વગાડવું. પણ આખા સમાજને એકત્ર કરવા માટે રણશિંગડું એકધારું લાંબે સૂરે વગાડવું. આરોનના પુત્રો એટલે યજ્ઞકારોએ રણશિંગડાં વગાડવાનાં છે. “તમારે અને તમારા વંશજોએ કાયમને માટે આ નિયમનું પાલન કરવાનું છે. તમારા દેશમાં તમારી ઉપર દુશ્મન ચઢી આવે અને તમે તેમની સામે લડવા જાઓ ત્યારે તમારે રણશિંગડાં વગાડીને યુધની જાહેરાત કરવી. તેથી હું પ્રભુ તમારો ઈશ્વર તમને સંભારીને સહાય કરીશ અને તમારા દુશ્મનોથી તમને બચાવી લઈશ. આનંદોત્સવના પ્રસંગોએ અને બીજાં નિયત ધાર્મિક પર્વોના સમયે તથા દર મહિનાના પ્રથમ દિવસે, તેમજ દહનબલિ અને સંગતબલિ ચડાવતાં પહેલાં તમે રણશિંગડાં વગાડો; એટલે તમને સહાય કરવાને હું તમારું સ્મરણ કરીશ. હું તમારો ઈશ્વર પ્રભુ છું.” ઇજિપ્તમાંથી નીકળ્યાને બીજા વર્ષના બીજા મહિનાના વીસમા દિવસે સાક્ષ્યમંડપ ઉપરથી વાદળ હટી ગયું. અને ઇઝરાયલીઓએ સિનાઈના રણપ્રદેશમાંથી પોતાની કૂચ શરૂ કરી. તે પછી પારાનના રણમાં વાદળ પાછું સ્થિર થઈ ગયું. પ્રભુએ મોશેની મારફતે આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે કૂચનો આરંભ કર્યો. દરેક વખતે એક જ ક્રમમાં તેઓ કૂચ કરતા. યહૂદા કુળના સૈન્યના વજવાળા લોકો તેમની ટુકડીઓ પ્રમાણે પ્રથમ ચાલી નીકળ્યા. આમ્મીનાદાબનો પુત્ર નાહશોન તેમનો આગેવાન હતો. ઇસ્સાખારના કુળના સૈન્યનો આગેવાન સૂઆરનો પુત્ર નાથાનાએલ હતો. અને ઝબુલૂનના કુળના સૈન્યનો આગેવાન હેલોનનો પુત્ર એલિયાબ હતો. ત્યાર પછી મુલાકાતમંડપ છોડી લેવામાં આવ્યો એટલે ગેર્શોનના કુટુંબો અને મરારીના કુટુંબો મંડપનો સરસામાન ઊંચકીને ચાલી નીકળ્યા. એ પછી રૂબેનના કુળના સૈન્યના વજવાળા લોકોએ ટુકડીઓ પ્રમાણે કૂચ શરૂ કરી. શદેઉરનો પુત્ર એલિસૂર તેમનો આગેવાન હતો. શિમયોનનું કુળ સુરીશાદ્દાયના પુત્ર શલૂમીએલની આગેવાની નીચે હતું. અને ગાદનું કુળ દેઉએલના પુત્ર એલ્યાસાફની આગેવાની નીચે હતું. ત્યાર પછી લેવીકુળના કહાથના કુટુંબો પવિત્ર સરસામાન ઊંચકીને ચાલી નીકળ્યા. તેઓ બીજા પડાવને સ્થળે આવી પહોંચે તે પહેલાં, મંડપ ફરી ઊભો કરવામાં આવતો હતો. ત્યાર પછી એફ્રાઈમના કુળના સૈન્યના વજવાળા લોકો ટુકડીઓ પ્રમાણે ચાલી નીકળ્યા. આમ્મીહૂદનો પુત્ર એલિશામા તેમનો આગેવાન હતો. મનાશ્શાના કુળનો આગેવાન પદાહસૂરનો પુત્ર ગમાલિએલ હતો. અને બિન્યામીનના કુળનો આગેવાન ગિદિયોનીનો પુત્ર અબીદાન હતો. છેલ્લે દાનના કુળના સૈન્યના વજવાળા લોકોએ ટુકડીઓ પ્રમાણે કૂચ કરી તેઓ બધાં સૈન્યોની પછવાડે હતા. આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર તેમનો આગેવાન હતો. આશેરના કુળનો આગેવાન ઓક્રાનનો પુત્ર પાગીએલ હતો. અને નાફતાલી કુળનો આગેવાન એનાનનો પુત્ર અહીરા હતો. જ્યારે જ્યારે ઇઝરાયલીઓ પડાવ ઉઠાવીને કૂચ કરતા ત્યારે સૈન્યો પ્રમાણે તેમની કૂચનો ક્રમ એ પ્રમાણે રહેતો હતો. મોશેએ પોતાના સસરા મિદ્યાની રેઉએલના પુત્ર હોબાબને કહ્યું, “પ્રભુએ જે પ્રદેશ અમને આપવાનું વચન આપ્યું હતું ત્યાં જવા માટે અમે પ્રયાણ કરીએ છીએ. તમે પણ અમારી સાથે ચાલો. પ્રભુએ ઇઝરાયલને સમૃધ કરવાનું વચન આપ્યું છે અને અમે તમારી સાથે સંપત્તિ વહેંચીશું.” પણ હોબાબે જવાબ આપ્યો, “ના, મારે નથી આવવું. હું તો મારા પોતાના સગાં પાસે મારા વતનમાં પાછો જઈશ.” મોશેએ કહ્યું, “અમને મૂકીને જઈશ નહિ. અહીં રણપ્રદેશમાં કઈ જગ્યાએ પડાવ નાખવો તે તું જ જાણે છે. તું તો અમારો માર્ગદર્શક છે. જો તું અમારી સાથે આવીશ તો પ્રભુ અમને જે સમૃધિ આપશે તેના પ્રમાણમાં અમે તને ભાગ આપીશું.” પ્રભુના પવિત્ર પર્વત સિનાઈથી તેઓ ચાલી નીકળ્યા અને ત્રણ દિવસ સુધી મુસાફરી કરી. પ્રભુની કરારપેટી તેમને માટે વિશ્રામનું સ્થાન શોધવા માટે તેમની આગળ રહેતી. જ્યારે પણ તેઓ પડાવ ઉપાડતા ત્યારે દિવસે પ્રભુનું વાદળ તેમના ઉપર રહેતું. જ્યારે કરારપેટી ઉપાડવામાં આવતી ત્યારે મોશે કહેતો, “હે પ્રભુ, ઊઠો, તમારા દુશ્મનોને વેરવિખેર કરી નાખો અને તમારો ધિક્કાર કરનારાઓ તમારી સમક્ષથી નાસી જાઓ.” અને જ્યારે કરારપેટી થોભાવવામાં આવતી ત્યારે મોશે કહેતો, “હે પ્રભુ, અસંખ્ય ઇઝરાયલીઓની વચમાં તમે પાછા આવો.” લોકો પોતાની મુશ્કેલીઓ વિષે પ્રભુનાં સાંભળતાં બડબડાટ કરવા લાગ્યા. એ સાંભળીને પ્રભુ ક્રોધાયમાન થયા અને તેમણે મોકલેલો અગ્નિ તેમની વચ્ચે ભભૂકી ઊઠયો અને પડાવના એક તરફના છેડા સુધીનો ભાગ બાળીને ભસ્મ કરી નાખ્યો. લોકોએ મદદને માટે મોશેને પોકાર કર્યો. મોશેએ પ્રભુને પ્રાર્થના કરી અને અગ્નિ હોલવાઈ ગયો. તેથી તે જગ્યાનું નામ તાબએરા (અર્થાત્ ‘સળગવું) પાડવામાં આવ્યું. કારણ, તેમના પડાવમાં પ્રભુનો અગ્નિ પ્રગટયો હતો. ઇઝરાયલીઓ સાથે કેટલાક પરપ્રજાના લોકો પણ મુસાફરી કરી રહ્યા હતા. તેમને માંસ ખાવાની તીવ્ર લાલસા હતી. વળી, ખુદ ઇઝરાયલીઓ પણ રડીને ફરિયાદ કરવા લાગ્યા: “ખાવાને માટે અમને માંસ કોણ આપશે? અમને યાદ આવે છે કે ઇજિપ્તમાં તો મફતમાં માછલી ખાવા મળતી હતી અને કાકડી, તડબૂચ, પ્યાજ, ડુંગળી અને લસણ પણ મળતા હતાં. પરંતુ અહીં તો એમાંનું કશું જ ખાવા મળતું નથી. હવે અમારી રુચિ નષ્ટ થઈ ગઈ છે. કારણ, અહીં આ માન્‍ના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી.” (માન્‍ના તો કોથમીરના દાણા જેવું હતું અને તેનો રંગ ગુગળના રંગ જેવો પીળાશ પડતો સફેદ હતો. પડાવમાં રાત્રે ઝાકળની સાથે માન્‍ના પણ પડતું હતું. સવારે લોકો ફરી ફરીને માન્‍ના એકઠું કરી લાવતા અને ઘંટીમાં દળતા અથવા ખાંડણિયામાં ખાંડી આટો બનાવતા અને તેને તવા પર શેકીને તેની ભાખરી બનાવતા. તેનો સ્વાદ તાજા તેલથી મોયેલી ભાખરીના જેવો લાગતો હતો.) *** મોશેએ લોકોને પોતપોતાના તંબૂના બારણા આગળ એકત્ર થઈ રડતાં રડતાં કચકચ કરતા સાંભળ્યા. પ્રભુનો કોપ સળગી ઊઠયો અને મોશે ખૂબ દુ:ખી થઈ ગયો. તેણે પ્રભુને કહ્યું, “તમે તમારા આ સેવકને દુ:ખી કેમ કર્યો છે?” મારા પર તમારી કૃપાદૃષ્ટિ કેમ નથી? આ બધા લોકોની જવાબદારી મને કેમ સોંપી છે? શું મેં આ લોકોનો ગર્ભ ધર્યો હતો? અથવા શું મેં તેમને જન્મ આપ્યો હતો? ધાવણા બાળકને તેના પિતા હાથમાં ઊંચકીને લઈ જાય તેવી રીતે તમે તેમને તેમના પૂર્વજોને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં તેમને લઈ જવાનું મને કેમ કહેવામાં આવે છે? તેઓ મારી પાસે આવીને રડી રડીને કહે છે, ‘અમને ખાવાને માંસ આપ’, પણ આ બધા લોકોને પૂરતું થાય એટલું માંસ હું ક્યાંથી લાવું? હું એકલો આ બધા લોકોની જવાબદારી ઉપાડી શકું તેમ નથી. મારે માટે તો આ બોજ અસહ્ય છે. જો તમે મારી સાથે આવો જ વર્તાવ કરવાના હો તો મારા પર દયા કરીને મને મારી નાખો. જેથી મારે આ દુ:ખ લાંબો સમય વેઠવું પડે નહિ.” પ્રભુએ મોશેને કહ્યું, “તું જેમને લોકોના વડીલો અને આગેવાનો તરીકે ઓળખે છે એવા ઇઝરાયલી લોકોના સિત્તેર વડીલોને એકત્ર કર અને તેમને મારા મુલાકાતમંડપ આગળ લઈ આવ અને ત્યાં તારી પાસે તેઓ ઊભા રહે. હું ત્યાં ઊતરી આવીશ અને તારી સાથે વાત કરીશ અને મારો જે આત્મા તારા પર છે તે હું તેમની સાથે વહેંચીશ અને પછી તેઓ લોકોનો બોજ ઉપાડવામાં તારી મદદ કરશે અને તારે એકલાએ સમગ્ર જવાબદારી ઉપાડવાની રહેશે નહિ. “તું લોકોને આ પ્રમાણે કહે, ‘પોતાને શુધ કરીને આવતી કાલને માટે તૈયાર થાઓ. તમને ખાવા માટે માંસ મળશે.’ તમે પ્રભુના સાંભળતાં રડી રડીને કહ્યું હતું કે ‘અમને ખાવાને માંસ કોણ આપશે? ઇજિપ્તમાં અમે કેવા સુખી હતા!’ તેથી હવે પ્રભુ પોતે તમને ખાવાને માટે માંસ આપશે અને તમારે તે ખાવું જ પડશે. એક કે બે દિવસ નહિ, પાંચ, દસ કે વીસ દિવસ નહિ; પણ પૂરા એક મહિના સુધી તમે તે ખાશો. એટલે સુધી કે તમારાં નસકોરાંમાંથી તે પાછું નીકળશે અને તમને તેનાથી અરુચિ પેદા થશે. કારણ, તમારી મધ્યે વસતા પ્રભુનો તમે નકાર કર્યો છે અને તેમની આગળ રડી રડીને કહ્યું, ‘અમે ઇજિપ્તમાંથી નીકળીને આવ્યા જ ન હોત તો સારું થાત!” મોશેએ પ્રભુને કહ્યું, “અહીં મારી સાથે આશરે છ લાખ દળ કૂચ કરી રહ્યું છે અને તમે તેમને તેઓ એક મહિના સુધી ખાય તેટલું માંસ પૂરું પાડવાનું વચન આપો છો! તેમને બસ થાય એટલાં ઢોર કે ઘેટાંબકરાં કાપવા માટે છે? અથવા તેમને બસ થાય માટે શું દરિયાની બધી માછલી પકડવામાં આવશે?” પ્રભુએ મોશેને કહ્યું, “મારી શક્તિની કોઈ મર્યાદા છે ખરી? તું હમણાં જ જોશે કે મેં તને કહ્યું છે તેમ થાય છે કે નહિ.” મોશેએ બહાર આવીને લોકોને પ્રભુનો સંદેશ કહી સંભળાવ્યો. તેણે લોકોના વડીલોમાંથી સિત્તેર આગેવાનોને એકત્ર કર્યા અને મંડપની આસપાસ તેમને ઊભા રાખ્યા. ત્યાર પછી પ્રભુ વાદળમાં ઊતરી આવ્યા અને મોશે સાથે વાત કરી. તેમણે મોશેને આપેલો આત્મા સિત્તેર આગેવાનો સાથે પણ વહેંચ્યો. આત્મા તેમના પર ઊતર્યો એટલે તેઓ સંદેશવાહકની જેમ પ્રવચન કરવા લાગ્યા; પણ લાંબા સમય સુધી તેમણે એમ કર્યું નહિ. પરંતુ આગેવાનોમાંના બે માણસો એલ્દાદ અને મેદાદ પડાવમાં રહી ગયા હતા. તેઓ મંડપની નજીક આવ્યા ન હતા. તેમ છતાં તેઓ પર પણ આત્મા ઊતર્યો અને તેઓ પણ સંદેશવાહકની જેમ સંદેશ ઉચ્ચારવા લાગ્યા. એક યુવાને દોડીને મોશેને ખબર આપી કે એલ્દાદ અને મેદાદ પણ પડાવમાં સંદેશ ઉચ્ચારે છે. ત્યારે નૂનનો પુત્ર યહોશુઆ, જે તેની જુવાનીથી જ મોશેના મદદનીશ તરીકે રહ્યો હતો, તે બોલી ઊઠયો અને મોશેને કહ્યું, “મારા સ્વામી, ં તેમને મના કરો!” પણ મોશેએ જવાબ આપ્યો, “શું તને મારી પ્રતિષ્ઠા વિષે એટલો આવેશ છે? હું તો એવું ઈચ્છું છું કે પ્રભુ તેમની સમગ્ર પ્રજા ઉપર પોતાનો આત્મા મૂકે અને તેઓ બધા સંદેશવાહક થાય.” પછી મોશે અને ઇઝરાયલના સિત્તેર આગેવાનો પડાવમાં પાછા ગયા. એકાએક પ્રભુ પાસેથી પવન ફુંક્યો અને તે દરિયા તરફથી લાવરીઓને ઘસડી લાવ્યો. જેથી તેઓ જમીનથી એકાદ મીટર ઊંચે ઊડવા લાગી, અને એક દિવસની મુસાફરી જેટલા અંતર સુધી દરેક દિશામાં પથરાઈ.* તેથી લોકોએ આખો દિવસ અને આખી રાત અને બીજો આખો દિવસ લાવરીઓ પકડી. કોઈએ એક હજાર કિલોથી ઓછી એકઠી કરી નહોતી! તેમણે તેમને સૂકવવા માટે આખા પડાવની આસપાસ પાથરી દીધી. હજી તો તે માંસ તેમના મોંમાં પૂરું ચવાયું ય નહોતું અને તે પહેલાં પ્રભુ તેમના ઉપર કોપાયમાન થયા અને તેમને ભયંકર રોગચાળાથી માર્યા. તેમણે તે જગ્યાનું નામ કિબ્રોથ- હાત્તાવા (એટલે ‘લાલસાની કબરો’) પાડયું. કારણ, માંસના લાલચુઓને ત્યાં દફનાવવામાં આવ્યા હતા. ત્યાંથી લોકો હસેરોથ જવા નીકળ્યા અને તેમણે પડાવ નાખ્યો. મોશેએ એક કુશી સ્ત્રીની સાથે લગ્ન કર્યું. તેથી મિર્યામ અને આરોને તેની વિરુદ્ધ ટીકા કરી. તેમણે કહ્યું, “શું પ્રભુ માત્ર મોશેની સાથે જ બોલ્યા છે? શું તે અમારી સાથે પણ બોલ્યા નથી? અને પ્રભુએ એ સાંભળ્યું.” (તે સમયે પૃથ્વીના બધા લોકોમાં મોશે જેવો નમ્ર માણસ બીજો કોઈ નહોતો.) પ્રભુએ એકાએક મોશે, આરોન અને મિર્યામને કહ્યું, “તમે ત્રણે જણ મુલાકાતમંડપ પાસે આવો.” તેઓ ત્રણે જણ ત્યાં ગયાં. પ્રભુ વાદળના સ્થંભમાં ઊતરી આવ્યા અને મંડપના પ્રવેશદ્વાર આગળ ઊભા રહી તેમણે આરોન અને મિર્યામને બોલાવ્યાં એટલે તે બંને જણ આગળ ગયાં. પ્રભુએ તેમને કહ્યું, “મારી વાત ધ્યનથી સાંભળો. જો તમારી મધ્યે કોઈ સંદેશવાહક હોય તો હું સંદર્શનમાં તેની આગળ પ્રગટ થાઉં છું અને સ્વપ્નમાં તેની સાથે વાત કરું છું. પણ મારા સેવક મોશેના સંબંધમાં એવું નથી. મોશે તો મારા સમગ્ર ઇઝરાયલી લોકમાં સૌથી વધુ વિશ્વાસુ છે. તેથી હું તેની સાથે મોંઢામોંઢ વાત કરું છું. હું તેની સાથે રહસ્યભરી નહિ, પણ સ્પષ્ટ વાત કરું છું. તેણે મારું સ્વરૂપ પણ જોયું છે. તો પછી મારા સેવક મોશેની વિરૂધ ટીકા કરતાં તમને સંકોચ કેમ ન થયો?” પ્રભુ તેમના પર કોપાયમાન હતા અને તે ચાલ્યા ગયા. અને મંડપ પરથી વાદળ હટી ગયું અને મિર્યામને એકાએક કોઢ ફૂટી નીકળ્યો. તેની ચામડી બરફ જેવી શ્વેત થઈ ગઈ. આરોને મિર્યામ તરફ જોયું તો તેનું શરીર કોઢથી છવાઈ ગયું હતું. તેથી આરોને મોશેને કહ્યું, “મારા સ્વામી, મૂર્ખાઈમાં અમે પાપ કરી બેઠાં છીએ; માટે અમારા પર દયા કરો અને અમને સજા ન કરો. જન્મ સમયે જેનું ર્આું શરીર ગળી ગયું હોય એવા મૃત જન્મેલા બાળક જેવી તેની દશા ન કરો.” તેથી મોશેએ પ્રભુને આજીજી કરી, “હે ઈશ્વર, તેને સાજી કરો.” પ્રભુએ જવાબ આપ્યો, “જો તેનો પિતા તેના મુખ પર થૂંક્યો હોત તો તેણે સાત દિવસ સુધી શરમ વેઠવી પડત. તેથી સાત દિવસ સુધી તેને પડાવની બહાર રાખો અને ત્યાર પછી તેને પાછી લાવવામાં આવે.” સાત દિવસ સુધી મિર્યામને પડાવની બહાર અલગ રાખવામાં આવી અને સાત દિવસ પછી તેને પાછી લાવવામાં આવી ત્યાં સુધી લોકો આગળ ચાલ્યા નહિ. ત્યાર પછી તેમણે હસેરોથથી નીકળીને પારાનના રણપ્રદેશમાં પડાવ નાખ્યો.” પ્રભુએ મોશેને કહ્યું, “હું ઇઝરાયલી લોકોને કનાન દેશ આપવાનો છું; તું તે દેશની તપાસ કરવાને માટે દરેક કુળમાંથી એક એક આગેવાન પસંદ કરીને જાસૂસી કરવા મોકલ.” પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ પારાનના રણપ્રદેશમાંથી નીચેના આગેવાનોને મોકલી આપ્યા: [કુળ] — [કુટુંબનો આગેવાન] રૂબેન — ઝાક્કૂરનો પુત્રશામ્મૂઆ શિમયોન — હોરીનો પુત્ર શાફાટ યહૂદા — યફૂન્‍નેહનો પુત્ર કાલેબ ઇસ્સાખાર — યોસેફનો પુત્ર ઇગાલ યોસેફ- એફ્રાઈમ — નૂનનો પુત્ર હોશિયા બિન્યામીન — રાફુનો પુત્ર પાલ્ટી ઝબૂલુન — p સોદીનો પુત્ર ગાદ્દીએલ યોસેફ- મનાશ્શા — સૂસીનો પુત્ર ગાદી દાન — ગમાલ્લીનો પુત્ર આમ્મીએલ આશેર — મિખાએલનો પુત્ર સથૂર નાફતાલી — વોફસીનો પુત્ર નાહબી ગાદ — માખીનો પુત્ર ગેઉએલ *** *** *** *** *** *** *** *** *** *** *** *** કનાન દેશમાં તપાસ કરવાને માટે મોકલેલા જાસૂસોનાં નામ એ પ્રમાણે હતાં. મોશેએ નૂનના પુત્ર હોશિયાનું નામ બદલીને યહોશુઆ પાડયું. મોશેએ તેમને જાસૂસી કરવા મોકલતી વખતે કહ્યું, “અહીંથી ઉત્તર તરફ જાઓ અને કનાન દેશની દક્ષિણે નેગેબ થઈને પહાડી પ્રદેશમાં પ્રવેશ કરો. એ દેશ કેવો છે તે શોધી કાઢો. ત્યાં વસવાટ કરતા લોકો થોડા છે કે પુષ્કળ અને તેઓ બળવાન છે કે નિર્બળ તેની તપાસ કરો. ત્યાંની જમીન કેવી છે, સારી કે ખરાબ અને તેઓ કેવાં નગરોમાં રહે છે, પડાવોમાં કે કોટબંધ નગરમાં. ત્યાંની ભૂમિ ફળદ્રુપ છે કે ક્સ વગરની અને ત્યાં ગાઢ જંગલો છે કે નહિ તેની તપાસ કરો. હિંમતપૂર્વક જાઓ અને ત્યાંની પેદાશમાંથી થોડાંક ફળ લેતા આવજો.” દ્રાક્ષ પાકવાની મોસમની શરૂઆતના એ દિવસો હતા. તેથી તેઓ ઉત્તરમાં ગયા અને તેમણે સીનના રણપ્રદેશથી શરૂ કરીને, છેક રહોબ સુધી અને ઉત્તરમાં હમાથના ઘાટ સુધી ફરી ફરીને દેશની જાસૂસી કરી. તેઓ નેગેબમાં થઈને હેબ્રોન પહોંચ્યા. ત્યાં રાક્ષસી જાતિ અનાકના વંશજો અહિમાન, શેશાય તથા તાલ્માયનાં કુટુંબો રહેતાં હતાં. (ઇજિપ્તમાં સોઆન બંધાયું તેનાં સાત વર્ષ પહેલાં હેબ્રોન બંધાયું હતું.) તેઓ એશ્કોલના ખીણપ્રદેશમાં આવી પહોંચ્યા. તેમણે ત્યાંથી દ્રાક્ષવેલાની લૂમ સાથેની એક ડાળી કાપી લીધી. તે એટલી ભારે હતી કે બે માણસોએ એક દાંડા ઉપર લટકાવીને તેને ઉપાડવી પડી. તેઓ સાથે થોડાં દાડમ અને અંજીરો પણ લાવ્યા. ઇઝરાયલીઓએ ત્યાંથી દ્રાક્ષની એક લૂમ કાપી લીધી હતી તે ઉપરથી એ જગાનું નામ એશ્કોલ (અર્થાત્ ‘લૂમ’)નો ખીણપ્રદેશ પાડવામાં આવ્યું. ચાળીસ દિવસ સુધી દેશમાં ફરીને જાસૂસી કર્યા પછી એ લોકો પારાનના રણપ્રદેશમાં કાદેશ મુકામે મોશે, આરોન અને ઇઝરાયલના સમગ્ર સમાજ પાસે પાછા આવ્યા. તેમણે જે જોયું તેનો અહેવાલ રજૂ કર્યો અને તે દેશનાં ફળ તેમને બતાવ્યાં. તેમણે મોશેને કહ્યું, “તમે અમને જે દેશમાં મોકલ્યા હતા ત્યાં અમે ગયા. ત્યાં સાચે જ દૂધ અને મધની રેલમછેલ છે અને ત્યાંનાં ફળ પણ આ રહ્યાં. પરંતુ ત્યાંના લોકો બળવાન છે. તેમનાં નગરો કિલ્લાવાળાં અને બહુ વિશાળ છે. વળી, અમે ત્યાં રાક્ષસી જાતિ અનાકના વંશજોને પણ જોયા. અમાલેકીઓ દક્ષિણે નેગેબમાં રહે છે. હિત્તીઓ તથા યબૂસીઓ અને અમોરીઓ પહાડી પ્રદેશમાં રહે છે અને કનાનીઓ ભૂમધ્ય સમુદ્ર પાસે અને યર્દન નદીને કિનારે રહે છે.” મોશેની આસપાસ ભેગા થયેલા લોકોને શાંત પાડતાં કાલેબે કહ્યું, “આપણે હમણાં જ આક્રમણ કરીને દેશનો કબજો લઈ લેવો જોઈએ, કારણ કે આપણે તે દેશને જીતી લેવા પૂરા સમર્થ છીએ.” પણ કાલેબની સાથે ગયેલા માણસોએ કહ્યું, “આપણે તેમની સામે ઝઝૂમી શકીએ તેમ નથી. તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.” આમ, તેઓ ઇઝરાયલીઓમાં દેશની માહિતી સંબંધી પ્રતિકૂળ અહેવાલ ફેલાવવા લાગ્યા. તેમણે કહ્યું, “અમે જે દેશની ફરી ફરીને જાસૂસી કરી તેની ભૂમિ તો તેના રહેવાસીઓને ભરખી ખાનાર ભૂમિ છે અને અમે જોયું કે ત્યાં વસતા બધા લોકો ઊંચા અને કદાવર છે. વળી, અમે ત્યાં અનાકના વંશજોને એટલે રાક્ષસી કદના માણસોને પણ જોયા છે. તેમની આગળ અમે તો તીડ જેવા લાગતા હતા અને તેમને પણ અમે તીડ જેવા જ લાગ્યા હોઈશું.” આથી સમગ્ર ઇઝરાયલી સમાજે મોટે સાદે પોક મૂકી અને લોકો આખી રાત રડયા. બધા લોકોએ મોશે અને આરોન વિરુદ્ધ કચકચ કરી અને આખા સમાજે તેમને કહ્યું, “આના કરતાં તો અમે ઇજિપ્તમાં કે આ રણપ્રદેશમાં મરી ગયા હોય તો સારું! શા માટે પ્રભુ અમને તે દેશમાં લઈ જાય છે? અમે યુધમાં તલવારનો ભોગ બનીશું અને અમારી સ્ત્રીઓ અને બાળકો પકડાઈને લૂંટ તરીકે વહેંચાશે. આના કરતાં તો ઇજિપ્તમાં જ પાછા જવું વધારે સારું છે!” તેથી તેમણે એકબીજાને કહ્યું, “ચાલો, આપણે એક આગેવાનની નિમણૂક કરીને ઇજિપ્ત પાછા જઈએ.” ત્યારે મોશે અને આરોન ઇઝરાયલી સમાજની સમગ્ર સભાની સમક્ષ પ્રાર્થના માટે ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડયા. જાસૂસોમાંના બે જણ, નૂનના પુત્ર યહોશુઆએ અને યફુન્‍નેહના પુત્ર કાલેબે શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં. તેમણે સમગ્ર ઇઝરાયલી સમાજને કહ્યું, “અમે જે દેશની તપાસ કરવા ગયા હતા તે તો અતિ ઉત્તમ દેશ છે. જો પ્રભુ આપણા ઉપર પ્રસન્‍ન હશે તો તે આપણને તે દેશમાં લઈ જશે અને એ દૂધમધની રેલમછેલવાળો દેશ આપણને આપશે. પ્રભુની વિરુધ બંડ ન કરો અને ત્યાંના લોકોથી ડરી ન જાઓ. આપણે તેમને સહેલાઈથી જીતી લઈશું. તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી. પણ પ્રભુ આપણી સાથે છે તેથી તેમનાથી બીશો નહિ.” પરંતુ સમગ્ર સમાજે ધમકી આપી કે તેમને પથ્થરો મારીને મારી નાખો. એકાએક મુલાકાતમંડપ ઉપર ઇઝરાયલીઓ સમક્ષ પ્રભુનું ગૌરવ પ્રગટ થયું. પ્રભુએ મોશેને કહ્યું, “ક્યાં સુધી આ લોકો મારો તિરસ્કાર કરશે? મેં તેમની મધ્યે આટલા બધા ચમત્કારો કર્યા છતાં ક્યાં સુધી તેઓ મારા પર વિશ્વાસ રાખવાના નથી? હું રોગચાળો મોકલીને તેમનો વિનાશ કરી નાખીશ, અને તેમનું ઠામઠેકાણું નહિ રહે. પણ હું તારાથી તેમના કરતાં મહાન અને બળવાન પ્રજા ઉત્પન્‍ન કરીશ.” પરંતુ મોશેએ પ્રભુને કહ્યું, “તો પછી એ વાત ઇજિપ્તના લોકોના ય સાંભળવામાં આવશે અને તેમને તો ખબર છે કે તમે તમારા સામર્થ્યથી આ લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છો. તેથી તેઓ આ પ્રદેશના લોકોને પણ એ વિષે કહેશે. આ પ્રદેશના લોકોએ સાંભળ્યું છે કે તમે પ્રભુ, અમારી મધ્યે વસો છો. જ્યારે વાદળ અમારા પર થંભી જાય છે ત્યારે તમે અમને મોંઢામોંઢ દર્શન આપો છો. દિવસે મેઘના સ્તંભરૂપે અને રાતે અગ્નિના સ્તંભરૂપે તમે અમારી આગળ આગળ ચાલો છો. હવે જાણે એક માણસને મારતા હો તેમ તમે તમારા આ બધા લોકનો એક સામટો સંહાર કરશો, તો જે પ્રજાઓએ તમારી કીર્તિ સાંભળી છે તે કહેશે, ‘પ્રભુએ જે દેશ આપવાનું વચન આ લોકોને આપ્યું હતું તેમાં તે તેમને લઈ જઈ શક્યા નહિ તેથી તેમણે બધાને આ રણપ્રદેશમાં મારી નાખ્યા. તેથી હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું કે તમારું સામર્થ્ય અમને દર્શાવો. તમે કહ્યું હતું કે, ‘હું પ્રભુ જલદી કોપાયમાન થતો નથી, પણ હું અત્યંત દયાળુ છું. હું અન્યાય અને વિદ્રોહની ક્ષમા કરું છું; પરંતુ દોષિતને જરૂર સજા ફટકારું છું અને માતાપિતાનાં અપરાધને લીધે ત્રીજી અને ચોથી પેઢીનાં સંતાન સુધી સજા કરવાનું હું ચૂક્તો નથી.’ એ શબ્દો હવે સાચા પાડો. તેથી હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું, અને તમારા કહેવા પ્રમાણે તમારી મહાન અને અપાર દયા સંભારીને આ લોકોને તેમના અપરાધની ક્ષમા આપો. ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારથી અત્યાર સુધી તમે માફી બક્ષી છે તેમ હવે માફી આપો.” પ્રભુએ જવાબ આપ્યો, “તારી વિનંતી પ્રમાણે હું તેમને માફ કરું છું. પણ હું જીવંત છું અને સમગ્ર સૃષ્ટિ જેનાથી ભરપૂર છે એ મારા ગૌરવના સોગંદ ખાઈને કહું છું કે, જે દેશ આપવાનું વચન મેં તેમના પૂર્વજોને આપ્યું હતું તેમાં તેઓ પ્રવેશ પામશે નહિ. કારણ, આ લોકોએ મારું ગૌરવ તથા ઇજિપ્ત અને રણપ્રદેશમાં કરેલા મારા અદ્ભૂત ચમત્કારો જોયા છતાં વારંવાર મારી પરીક્ષા કરી છે અને મને આધીન થયા નથી. તેથી જેમણે મારો તિરસ્કાર કર્યો છે તેમનામાંનો કોઈ પણ એ દેશ જોવા પામશે નહિ. *** *** માત્ર મારો સેવક કાલેબ, જેની ભાવના જુદા જ પ્રકારની છે, તે મને પૂરેપૂરો વફાદાર રહ્યો છે. તેથી જે દેશની તેણે તપાસ કરી તેમાં હું તેને લઈ જઈશ અને તેના વંશજો એ દેશનું વતન ભોગવશે. અત્યારે એ દેશમાં સપાટ પ્રદેશમાં અમાલેકીઓ અને કનાનીઓ રહે છે. આવતી કાલે તમે પાછા ફરો અને સૂફ સમુદ્રના માર્ગે રણપ્રદેશ તરફ જાઓ.” પ્રભુએ મોશે અને આરોનને કહ્યું, “ક્યાં સુધી આ દુષ્ટ સમાજ મારી વિરુધ કચકચ કર્યા કરવાનો છે? ક્યાં સુધી મારે તમારું સહન કરવું? ઇઝરાયલીઓની મારી વિરુદ્ધની કચકચ મેં બરાબર સાંભળી છે! તેમને કહે કે, પ્રભુ આવું કહે છે: હું જીવંત છું અને સોગંદપૂર્વક કહું છું કે તમે મારા સાંભળતા જે બોલ્યા છો તે જ પ્રમાણે હું કરીશ. તમે માર્યા જશો અને આ રણપ્રદેશમાં તમારી લાશો રઝળશે. તમે મારી વિરુદ્ધ કચકચ કરી હોવાથી તમારામાંના જેમની ગણના થઈ હતી એટલે વીસ વર્ષ અને તેથી ઉપરની ઉંમરનો કોઈ, જે દેશમાં તમને વસાવવા મેં સોગંદ ખાધા હતા તેમાં પ્રવેશ કરશે નહિ. પરંતુ કાલેબ અને યહોશુઆ જ વચનના દેશમાં પ્રવેશ કરશે. તમે કહ્યું હતું કે, અમારાં બાળકો લૂંટ રૂપે વહેંચાશે; પણ તમે જે દેશમાં જવાની અવગણના કરી છે તેમાં હું તેમને લઈ જઈશ અને તે તેમનું વતન થશે. અહીં આ રણપ્રદેશમાં તમારી લાશો રઝળશે. તમારા છેલ્લા માણસની લાશ પડે નહિ ત્યાં સુધી એટલે ચાળીસ વર્ષ સુધી તમારાં વંશવારસો આ રણપ્રદેશમાં ભટકશે ને તમારી બેવફાઈની સજા ભોગવશે. ચાળીસ દિવસ સુધી ફરીને તમે દેશની જાસૂસી કરી હતી; તેથી એક દિવસને માટે એક વર્ષ તે પ્રમાણે ગણીને ચાળીસ વર્ષ સુધી તમે તમારાં પાપની સજા ભોગવશો; ત્યારે તમને સમજાશે કે મારો ત્યાગ કરવાનું શું પરિણામ આવે છે! હું પ્રભુ સોગંદપૂર્વક કહું છું કે મારો વિદ્રોહ કરવા એકત્ર થયેલ આ દુષ્ટ સમાજની હું આવી દશા કરીશ: આ રણપ્રદેશમાં તમારામાંનો એકેએક માર્યો જશે. હું પ્રભુ, આ બોલું છું.” મોશેએ દેશમાં જાસૂસી કરવા મોકલેલા માણસોએ પાછા આવીને દેશ સંબંધી પ્રતિકૂળ અહેવાલ રજૂ કર્યો અને સમગ્ર સમાજને પ્રભુની વિરુધ કચકચ કરવા ઉશ્કેર્યા. તેથી પ્રભુ આગળ તેઓ રોગચાળાથી માર્યા ગયા. *** દેશમાં તપાસ કરવા ગયેલા બાર જાસૂસોમાંથી ફક્ત યહોશુઆ અને કાલેબ જીવતા રહ્યા. જ્યારે મોશેએ પ્રભુ જે બોલ્યા હતા તે ઇઝરાયલીઓને કહી સંભળાવ્યું ત્યારે તેમણે ભારે શોક કર્યો. બીજે દિવસે વહેલી સવારે તેમણે કહ્યું, “પ્રભુએ જે જગા આપવાનું આપણને વચન આપ્યું હતું ત્યાં જવાને અમે તૈયાર છીએ. કારણ, અમે કબૂલ કરીએ છીએ કે અમે પાપ કર્યું છે.” એમ કહેતાં જ તેઓ ઊંચા પહાડી પ્રદેશ પર આક્રમણ કરવા નીકળી પડયા. પણ મોશેએ કહ્યું, “તમે પ્રભુની આજ્ઞાનો ભંગ કેમ કરો છો? તમે આક્રમણમાં સફળ થશો નહિ! આગળ વધશો નહિ. કારણ, પ્રભુ તમારી સાથે નથી અને તેથી તમારા દુશ્મનો તમને હરાવી દેશે. જ્યારે તમે અમાલેકીઓ અને કનાનીઓનો સામનો કરશો ત્યારે તમે યુધમાં તલવારથી માર્યા જશો. કારણ, તમે પ્રભુને અનુસરવાનું મૂકી દીધું હોવાથી પ્રભુ તમારી સાથે નથી.” તેમ છતાં તેમણે ગર્વપૂર્વક પહાડી-પ્રદેશ તરફ આક્રમણ કર્યું. જો કે પ્રભુની કરારપેટી કે મોશે પડાવમાંથી તેમની સાથે બહાર ગયા નહિ. ત્યારે પહાડીપ્રદેશમાં વસતા અમાલેકીઓ અને કનાનીઓએ તેમનો સામનો કરીને તેમને હરાવ્યા અને હોર્મા સુધી તેમની પાછળ પડયા. પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: જે ભૂમિ હું વતનને માટે તમને આપીશ ત્યાં તમે જાઓ ત્યારે તમારે નીચેના નિયમો પાળવાના છે: જ્યારે કોઈ વ્યક્તિ માનતા પૂરી કરવા માટે, સ્વૈચ્છિક અર્પણ માટે અથવા ઠરાવેલા પર્વોની ઉજવણી માટે સુવાસથી પ્રભુને પ્રસન્‍ન કરવા માટે ઢોરઢાંક કે ઘેટાંબકરાંનો અગ્નિબલિ, દહનબલિ કે બલિ ચઢાવે, ત્યારે પોતાનું જે બલિદાન તે પ્રભુ સમક્ષ લાવે તેની સાથે તેણે એક લિટર તેલથી મોહેલો એક કિલોગ્રામ લોટ ધાન્યઅર્પણ માટે તૈયાર કરવો. અને દહનબલિ કે બલિ માટેના દરેક ઘેટાની સાથે એક લિટર દ્રાક્ષાસવ પેયાર્પણ માટે તૈયાર કરવો. જો ઘેટાનું અર્પણ હોય તો દોઢ કિલોગ્રામ તેલથી મોહેલો બે કિલો લોટ ધાન્યઅર્પણ માટે તૈયાર કરવો અને દોઢ લિટર દ્રાક્ષાસવ પેયાર્પણ માટે તૈયાર કરવો. આ અર્પણની સુવાસથી પ્રભુ પ્રસન્‍ન થાય છે. *** જો વાછરડાનો દહનબલિ હોય અથવા બલિદાન પ્રભુ પ્રત્યેની માનતા પૂરી કરવા માટેનો બલિ હોય અથવા સંગતબલિ હોય તો ધાન્યઅર્પણ માટે બે કિલોગ્રામ તેલથી મોહેલો ત્રણ કિલોગ્રામ લોટ લાવવો અને બે લિટર દ્રાક્ષાસવ પેયાર્પણ માટે તૈયાર કરવો. *** આ અર્પણની સુવાસથી પ્રભુ પ્રસન્‍ન થાય છે. વાછરડા, ઘેટા, હલવાન કે બકરાના પ્રત્યેક અર્પણ વખતે આ પ્રમાણે અર્પણ કરવાનું છે. તમારે જેટલાં પ્રાણીનું અર્પણ ચડાવવાનું હોય તેટલાં પ્રાણીની સંખ્યા પ્રમાણે તે સાથેના ધાન્યઅર્પણ કે પેયાર્પણમાં પ્રમાણસર વધારો કરવો પડશે. પ્રત્યેક ઇઝરાયલી વતની અગ્નિબલિ ચડાવે તો તેણે આ નિયમો પ્રમાણે એ અર્પણ ચડાવવાનું છે. અર્પણની સુવાસથી પ્રભુ પ્રસન્‍ન થાય છે. વળી, તમારી મધ્યે થોડા સમય માટે કે કાયમ માટે કોઈ પરદેશી વસતો હોય તો તેણે પણ અગ્નિબલિ અર્પવા આ જ નિયમો પાળવાના છે. અર્પણની સુવાસથી પ્રભુ પ્રસન્‍ન થાય છે. તમે જેઓ ઇઝરાયલી સમાજના છો તેમને માટે અને તમારી મધ્યે વસતા પરદેશીને માટે હરહમેંશ આ જ નિયમો બંધનર્ક્તા છે; પ્રભુની દૃષ્ટિમાં તમે અને પરદેશી બંને સરખા જ છો. તમને અને તમારી મધ્યે વસતા પરદેશીને એક જ સરખા નિયમો અને વિધિઓ લાગુ પડે છે.” પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: હું તમને જે દેશ આપવાનો છું તેમાં તમારે આ નિયમો પાળવાના છે: જ્યારે તમે એ દેશમાં ઉપજેલું ધાન્ય ખાઓ ત્યારે તેમાંથી તમારે અમુક ભાગ પ્રભુને માટે વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરવો. નવા અનાજના પ્રથમ કણકમાંથી બનાવેલી રોટલી પ્રભુને માટે વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરવી. જેમ તમે ખળાના ધાન્યમાંથી અમુક ભાગ વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરો છો તેમ જ આ રોટલી અલગ કરવાની છે. તમારે નવા અનાજના પ્રથમ કણકમાંથી બનાવેલી રોટલી પ્રભુને માટે વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરવાની છે. આ નિયમ હંમેશને માટે લાગુ પડે છે.” હવે પ્રભુએ મોશેની મારફતે આપેલા આ નિયમોનો જો કોઈ વ્યક્તિ અજાણતાં ભંગ કરે, અથવા પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞાઓ, તે આજ્ઞાઓ આપી તે દિવસથી વંશપરંપરાગત પાળવાને બદલે સમગ્ર સમાજ અજાણતાં આજ્ઞાભંગ કરે તો તમારે આ પ્રમાણે કરવું: સમગ્ર સમાજથી સરતચૂકથી અને અજાણે આજ્ઞાભંગ થયો હોય તો તેમણે પ્રભુને પ્રસન્‍ન કરવા સુવાસને માટે એક વાછરડાનો દહનબલિ કરવો અને તેની સાથે જરૂરી ધાન્યઅર્પણ અને પેયાર્પણ ચડાવવાં. એ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું પણ અર્પણ કરવું. સમગ્ર સમાજને માટે યજ્ઞકારે આ પ્રાયશ્ર્વિત કરવું. એટલે તેમને માફ કરવામાં આવશે. કારણ, તે ભૂલ અજાણતાં થઈ હતી અને તેને લીધે તેઓ પ્રભુને પ્રસન્‍ન કરવા અગ્નિબલિ અને ભૂલ માટે પ્રાયશ્ર્વિતબલિ લાવ્યા છે. તેથી સમગ્ર ઇઝરાયલી સમાજને અને તેમની મધ્યે વસતા પરદેશીઓને માફ કરવામાં આવશે. કારણ, બધાથી તે ભૂલ અજાણે થઈ હતી. પણ જો એક વ્યક્તિ અજાણતાં પાપ કરે તો તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક વર્ષની બકરીનું અર્પણ ચઢાવવું. યજ્ઞકાર એ વ્યક્તિ માટે, પ્રાયશ્ર્વિતનો વિધિ કરશે અને તે વ્યક્તિને માફ કરવામાં આવશે. જો કોઈ અજાણતાં ભૂલ કરે, પછી તે દેશમાં વસતો ઇઝરાયલી હોય કે તેમની મધ્યે રહેતો પરદેશી હોય, તો બંનેને આ નિયમ એક્સરખી રીતે લાગુ પડે છે. પણ જો કોઈ જાણીબૂઝીને ઉદ્ધતાઈથી આજ્ઞાભંગ કરે, પછી તે ઇઝરાયલી હોય કે પરદેશી હોય, તો પ્રભુનો અનાદર કરવા બદલ ગુનેગાર છે. એવા માણસનો સમાજમાંથી બહિષ્કાર કરવો. કારણ, તેણે પ્રભુના નિયમને તુચ્છ ગણ્યો છે અને તેમની આજ્ઞા તોડી છે. તે માણસનો સંપૂર્ણ બહિષ્કાર કરવો. તેના દોષની જવાબદારી તેને પોતાને શિરે રહે. ઇઝરાયલીઓ ત્યાં રણપ્રદેશમાં હતા તે સમયે સાબ્બાથના દિવસે એક માણસ લાકડાં વીણતો પકડાયો. જેમણે તેને લાકડાં વીણતો જોયો તેઓ તેને મોશે, આરોન અને સમગ્ર સમાજ પાસે લઈ આવ્યા. તેને ચોકીપહેરા નીચે રાખવામાં આવ્યો. કારણ, તેને કઈ સજા થવી જોઈએ તે હજુ નક્કી થયું ન હતું. પછી પ્રભુએ મોશેને કહ્યું, “તે માણસને મોતની સજા ફટકારવામાં આવે. પડાવ બહાર સમગ્ર સમાજે તેને પથ્થરો મારીને મારી નાખવો.” તેથી પ્રભુએ મોશેને ફરમાવેલી આજ્ઞા પ્રમાણે સમગ્ર સમાજે તેને પડાવ બહાર લઈ જઈને પથ્થરો મારીને મારી નાખ્યો. પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: તમારે અને તમારા વંશજોએ વંશપરંપરાગત એક કાયમી નિયમ તરીકે વસ્ત્રોની કોરને કિનારી લગાડવી અને એ કિનારીમાં નીલરંગી દોરો ગૂંથવો. *** એ કિનારી જોઈને તમને મારી બધી આજ્ઞાઓ યાદ આવશે અને તમે તેમનું પાલન કરશો અને તમારા મનની દુર્વાસના અને આંખોની લાલસાથી પ્રેરાઈને બેવફાઈથી અન્ય દેવોને અનુસરવાનું તમારું વલણ અટકશે. તેથી કિનારીઓ જોઈને મારી બધી આજ્ઞાઓ પાળવાનું તમે યાદ રાખો અને મને, એટલે તમારા ઈશ્વરને સમર્પિત રહો. હું પ્રભુ તમારો ઈશ્વર છું. તમારો ઈશ્વર થવા હું તમને ઇજિપ્તની બહાર કાઢી લાવ્યો છું.” લેવીકુળના કહાથના ગોત્રના યિસ્હારના પુત્ર કોરાએ તથા રૂબેનના કુળના એલિયાબના પુત્રો દાથાને અને અબિરામે અને પેલેથના પુત્ર ઓને ઉધતાઈથી મોશે અને આરોન વિરુધ વિદ્રોહ કર્યો. તેમની સાથે અઢીસો ઇઝરાયલીઓ પણ જોડાયા. આ બધા સમાજના અગ્રણી અને પ્રતિષ્ઠિત માણસો હતા. તેઓ જૂથબંધી કરીને મોશે અને આરોન સામે પડયા અને તેમને કહ્યું, “તમે તો આપખુદીની હદ વટાવી છે! આખા સમાજના બધા સભ્યો પ્રભુને સમર્પિત થયેલા છે અને પ્રભુ તેમની મધ્યે છે. તેમ છતાં તમે પ્રભુના સમાજ કરતાં પોતાને ઊંચા કેમ ગણાવો છો?” આ સાંભળતાં જ મોશેએ ભૂમિ પર શિર ટેકવીને પ્રાર્થના કરી. ત્યાર પછી તેણે કોરા અને તેના આખા જૂથને કહ્યું, “આવતી કાલે સવારે પ્રભુ જણાવશે કે કોણ તેના સેવક છે અને તેમણે કોને પોતાની સેવા માટે પસંદ કરીને અલગ કર્યા છે. જેમને તે પસંદ કરે તેમને જ તે સેવાર્થે અપનાવશે. કોરા, તારે અને તારા જૂથે આ પ્રમાણે કરવું: આવતી કાલે સવારે તમારે ધૂપદાની લઈ તેમાં અગ્નિ તથા ધૂપ મૂકવો અને પ્રભુ સમક્ષ હાજર થવું. પ્રભુ જેને પસંદ કરે તે જ સેવાર્થે સમર્પિત જાહેર થાય. આપખુદીની હદ તો તમે લેવીપુત્રોએ વટાવી છે.” *** મોશેએ કોરાને વધુમાં કહ્યું, “હે લેવીપુત્રો, મારી વાત સાંભળો: એ વાત નાનીસૂની છે કે ઇઝરાયલના ઈશ્વરે તેમની સમીપ જઈને મુલાકાતમંડપમાં તેમની સેવા કરવા અને સમાજ વતી ધાર્મિક વિધિઓ કરવા માટે ઇઝરાયલના સમાજમાંથી તમને અલગ કર્યા છે, અને તમને તથા તમારા બીજા લેવીબધુંઓને તેમની સેવા કરવાનો અધિકાર આપ્યો છે? હવે તમે યજ્ઞકારપદ પણ પામવાનો પ્રયત્ન કરો છો? એ જ કારણસર તેં અને તારા જૂથે પ્રભુની વિરુધ વિદ્રોહ કર્યો છે! આરોન કોણ કે તમે તેની વિરુધ કચકચ કરો છો?” ત્યાર પછી મોશેએ એલિયાબના પુત્રો દાથાન અને અબિરામને બોલાવ્યા પણ તેમણે કહેવડાવ્યું કે, “અમે આવવાના નથી. તું અમને દૂધમધની રેલમછેલવાળા ફળદ્રુપ દેશમાંથી આ રણપ્રદેશમાં મરવા માટે લઈ આવ્યો છે એટલું બસ નથી કે તું પાછો અમારા પર સત્તા ચલાવવા માગે છે? તું અમને કંઈ દૂધમધની રેલમછેલવાળા ફળદ્રુપ દેશમાં લાવ્યો નથી કે તેં અમને ખેતરો અને દ્રાક્ષની વાડીઓ આપી નથી અને હવે તું આ માણસોની આંખમાં ધૂળ નાખીને છેતરવા માંગે છે? અમે ત્યાં આવવાના નથી.” મોશે ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેણે પ્રભુને કહ્યું, “તમે તેમનું અર્પણ સ્વીકારશો નહિ. મેં તેમની પાસેથી એક ગધેડું ય લીધું નથી કે તેમનું કંઈ નુક્સાન કર્યું નથી.” મોશેએ કોરાને કહ્યું, “આવતી કાલે તું અને તારું અઢીસો માણસનું જૂથ પ્રભુ સમક્ષ હાજર થજો. આરોન પણ ત્યાં આવશે. તમારામાંના દરેકે પોતાની ધૂપદાની લાવવી, તેમાં ધૂપ નાખવો. પોતાની ધૂપદાની એટલે અઢીસો ધૂપદાની પ્રભુ સંમુખ લાવવી. તું તથા આરોન પણ પોતપોતાની ધૂપદાની લાવો.” તેથી દરેકે પોતપોતાની ધૂપદાની લીધી, તેમાં અગ્નિ મૂકી ધૂપ નાખ્યો અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મોશે અને આરોન સાથે ઊભા રહ્યા. ત્યાર પછી કોરાએ સમગ્ર સમાજને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેમની વિરુધ ભેગો કર્યો અને એકાએક પ્રભુનું ગૌરવ સમગ્ર સમાજ સમક્ષ પ્રગટ થયું. પ્રભુએ મોશે અને આરોનને કહ્યું, “તમે આ સમાજ પાસેથી અલગ થાઓ કે એક ક્ષણમાં જ હું તેમનો સંહાર કરું.” *** પણ મોશે અને આરોને ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, તમે સૌ સજીવોના જીવનદાતા છો. શું એક જ માણસના પાપને લીધે તમે સમગ્ર સમાજ પર ગુસ્સે થશો?” પ્રભુએ મોશેને કહ્યું, “લોકોને કોરા, દાથાન અને અબિરામના તંબૂ આગળથી ખસી જવાનું કહે.” *** ત્યાર પછી મોશે ઇઝરાયલના આગેવાનો સાથે દાથાન અને અબિરામની પાસે ગયો. તેણે સમગ્ર સમાજને કહ્યું, “આ દુષ્ટ માણસોના તંબૂઓ પાસેથી દૂર ખસી જાઓ. તેમની કોઈ ચીજવસ્તુને અડકશો નહિ. નહિ તો તેમનાં બધાં પાપને લીધે તમારો પણ વિનાશ થઈ જશે.” આથી લોકો કોરા, દાથાન અને અબિરામના તંબૂઓ આગળથી દૂર ખસી ગયા. દાથાન અને અબિરામ પોતાના તંબૂમાંથી બહાર આવીને પત્નીઓ અને નાના મોટાં સંતાન સાથે તંબૂના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા હતા. મોશેએ લોકોને કહ્યું, “હવે તમને ખબર પડશે કે આ બધું કરવા પ્રભુએ મને મોકલ્યો છે અને આ બધું મેં મારી પોતાની મેળે કર્યું નથી. જો આ લોકો શિક્ષા પામ્યા વગર બધા માણસોની જેમ કુદરતી મોતે મરે તો પ્રભુએ મને મોકલ્યો નથી એમ માનવું. પરંતુ જો પ્રભુના આશ્ર્વર્યમય કાર્યથી ધરતી ફાટે અને આ લોકોને તેમની માલમત્તા સાથે ગળી જાય અને તેઓ મૃત્યુલોક શેઓલમાં જીવતાંજીવ ગરક થઈ જાય તો તમારે માનવું કે તેમણે પ્રભુનો તિરસ્કાર કર્યો છે.” મોશે હજી તો બોલી રહ્યો હતો એટલામાં જ દાથાન અને અબિરામના પગ નીચે ધરતી ફાટી અને તેમને અને તેમના કુટુંબોને અને કોરાના બધા સાથીદારોને તેમની માલમતા સહિત ગળી ગઈ. તેથી તેઓ પોતાના સર્વસ્વ સાથે મૃત્યુલોક શેઓલમાં જીવતાંને જીવતાં ગરક થઈ ગયાં. ધરતી પાછી સંધાઈ ગઈ અને એ લોકોનો સમાજમાંથી ઉચ્છેદ થઈ ગયો. તેમની ચીસ સાંભળીને આસપાસના બધા ઇઝરાયલીઓ નાસતાં નાસતાં બોલતા હતાં, “નાસો, નહિ તો ધરતી આપણને પણ ગળી જશે.” ત્યાર પછી પ્રભુએ મોકલેલા અગ્નિએ આવીને ધૂપ ચડાવવા ઊભેલા અઢીસો માણસોને ભસ્મ કરી નાખ્યા. પછી પ્રભુએ મોશેને કહ્યું, “યજ્ઞકાર આરોનના પુત્ર એલાઝારને કહે કે બળી ગયેલા અવશેષોમાંથી ધૂપદાનીઓ લઈ લે અને તેમાંના અંગારા આમતેમ વિખેરી નાખ. કારણ, ધૂપદાનીઓ પવિત્ર છે. *** પ્રભુની વેદી સમક્ષ રજૂ કરવામાં આવી હોવાથી તે પવિત્ર બની છે. પાપને લીધે મોત વહોરી લેનારાઓની ધૂપદાનીઓમાંથી તારે ટીપીને પતરાં બનાવડાવાં અને વેદી ઢાંકવા માટે તેમનો ઉપયોગ કરવો. એ પતરાં ઇઝરાયલીઓને ચેતવણીના ચિહ્નરૂપ બની રહેશે. તેથી યજ્ઞકાર એલાઝારે ધૂપ ચડાવતી વખતે અગ્નિમાં બાળી નંખાયેલા લોકોની તામ્ર ધૂપદાનીઓ લીધી અને તેમને ટીપીને યજ્ઞવેદીને ઢાંકવા માટે પાતળાં પતરાં બનાવડાવ્યાં. એ પતરાં ઇઝરાયલીઓને માટે ચેતવણીરૂપ હતાં કે આરોનના વંશજ સિવાયના કોઈએ પ્રભુ સમક્ષ ધૂપ ચડાવવા આવવું નહિ. જો કોઈ એમ કરશે તો તેની દશા કોરા અને તેના જૂથના જેવી થશે.” આ બધું પ્રભુએ મોશેની મારફતે એલાઝારને આપેલી આજ્ઞા પ્રમાણે કરવામાં આવ્યું. બીજે દિવસે સમગ્ર ઇઝરાયલી સમાજે મોશે અને આરોન વિરુધ કચકચ કરીને કહ્યું, “તમે પ્રભુના કેટલાક લોકોને મારી નાખ્યા છે.” તેઓ મોશે અને આરોન વિરુધ ભેગા થયા હતા તે જ સમયે તેમણે મુલાકાતમંડપ તરફ નજર કરી તો વાદળે તેના પર છાયા કરી અને પ્રભુનું ગૌરવ પ્રગટ થયું. મોશે અને આરોન મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા અને પ્રભુએ મોશેને કહ્યું, “આ લોકોથી દૂર ખસી જાઓ કે એકપળમાં હું તેમનો સંહાર કરું.” તેઓ બન્‍નેએ ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા. *** મોશેએ આરોનને કહ્યું, “ાૂપદાની લઈને યજ્ઞવેદીમાંથી અગ્નિ મૂક અને તેના પર ધૂપ નાખ. તે લઈને દોડ ને લોકોને માટે પ્રાયશ્ર્વિત કર. કારણ, પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે.” મોશેની આજ્ઞા પ્રમાણે આરોને ધૂપદાની લીધી અને એકત્ર થયેલા લોકો વચ્ચે દોડી ગયો. તેણે જોયું તો રોગચાળો ફાટી નીકળ્યો હતો. તેણે ધૂપદાનીમાં ધૂપ નાખી લોકો માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કર્યો અને તે જીવતાં અને મરેલાંઓની વચ્ચે ઊભો રહ્યો. આમ, રોગચાળો અટકી ગયો. રોગચાળાથી માર્યા ગયેલાંની કુલ સંખ્યા 14,700ની થઈ; કોરાના બળવામાં માર્યા ગયેલાઓ તો જુદા. રોગચાળો બંધ પડયો એટલે આરોન મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મોશે પાસે પાછો આવ્યો. પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલી લોકોને કહે કે તેઓ પ્રત્યેક કુળના આગેવાન પાસેથી તને બાર લાકડીઓ અપાવે. દરેક કુળની લાકડી પર તે આગેવાનનું નામ લખવામાં આવે. લેવીવંશની લાકડી પર આરોનનું નામ લખવામાં આવે. દરેક કુળના આગેવાન માટે એક લાકડી હોવી જોઈએ. ત્યાર પછી એ લાકડીઓ મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટી સામે જ્યાં હું તમને મળું છું ત્યાં મૂક. પછી એમ થશે કે જે માણસને હું પસંદ કરું છું, તેની લાકડીને કળીઓ ફૂટશે. આ રીતે ઇઝરાયલીઓની તમારી વિરુદ્ધની સતત ફરિયાદોનો હું અંત લાવીશ.” તેથી મોશેએ ઇઝરાયલીઓને તે વિષે વાત કરી. દરેક આગેવાને પોતપોતાના કુળ પ્રમાણે લાકડી આપી. કુલ બાર લાકડીઓ થઈ અને તેમની લાકડીઓ સાથે આરોનની લાકડી પણ હતી. ત્યાર પછી મોશેએ બધી લાકડીઓ સાક્ષીના મંડપમાં પ્રભુની કરારપેટી આગળ મૂકી. બીજે દિવસે સવારે મોશે સાક્ષીના મંડપમાં ગયો. તેણે જોયું તો લેવીકુળની આરોનની લાકડીને કળીઓ ફૂટી હતી, પાન લાગ્યાં હતાં અને તેના પર પાકી બદામો લાગી હતી! મોશે પ્રભુ સમક્ષ મૂકેલી બધી લાકડીઓ બહાર લાવ્યો અને તે ઇઝરાયલીઓને બતાવી. જે બન્યું હતું તે તેમણે જોયું અને દરેક આગેવાને પોતપોતાની લાકડી પાછી લઈ લીધી. પ્રભુએ મોશેને કહ્યું, “આરોનની લાકડી સાક્ષ્યલેખની કરારપેટીની આગળ પાછી મૂકી દે કે વિદ્રોહી ઇઝરાયલીઓને માટે તે નિશાનીરૂપ બને કે મારી સામેની તેમની કચકચ બંધ થાય કે તેઓ માર્યા ન જાય. મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું. ઇઝરાયલીઓએ મોશેને કહ્યું, “અમારું તો આવી બન્યું છે; અમે બધા જ માર્યા જવાના! જે કોઈ પ્રભુના મંડપની પાસે જાય તે માર્યો જાય છે. તો પછી શું અમે બધા જ માર્યા જવાના?” પ્રભુએ આરોનને કહ્યું, “પવિત્રસ્થાનની સેવા કરતાં થયેલા ગુન્હાની જવાબદારી તારે, તારા પુત્રાને અને લેવીઓને શિરે રહેશે પરંતુ યજ્ઞકાર પદને લગતી સેવા બજાવતાં થયેલા ગુનાહાની જવાબદારી કેવળ તારી અને તારા પુત્રોની રહેશે. લેવીવંશના તારા જાતભાઈઓ સાક્ષીના મંડપની સેવામાં સહાય કરવા તારી તથા તારા પુત્રોની સાથે જોડાય. તેમણે તારી સાથે રહીને તારી અને મંડપને લગતી સેવા કરવાની છે. પરંતુ તેમણે પવિત્રસ્થાનનાં પાત્રો કે યજ્ઞવેદીની નજીક જવાનું નથી; જેથી તેઓ તથા તમે યજ્ઞકારો માર્યા ન જાઓ. તેઓ તારી સાથે સેવામાં જોડાય અને મંડપને લગતી તેમની બધી ફરજો બજાવે. લેવીવંશ સિવાયનો કોઈ અન્ય એ સેવા કરવા આવે નહિ. તમારે પવિત્રસ્થાનની અને વેદીની સેવા સંભાળવાની છે. જેથી ઇઝરાયલીઓ પર ફરી કોપ આવે નહિ. મેં જાતે બધા ઇઝરાયલીઓમાંથી તારા કુળભાઈઓ લેવીઓને પસંદ કર્યા છે. તેઓ મને અર્પિત થયેલા છે. તેથી મેં તેમને મુલાકાતમંડપમાં સેવા કરવાને માટે તમને ભેટમાં આપ્યા છે. પરંતુ માત્ર તારે અને તારા પુત્રોએ જ વેદીની અને પરમપવિત્રસ્થાનને લગતી સેવાઓ બજાવવાની છે. કારણ, મેં તને યજ્ઞકારપદ બક્ષિસમાં આપ્યું છે. જો કોઈ બીજો એ સેવા બજાવવા આવશે તો જરૂર માર્યો જશે.” પ્રભુએ આરોનને કહ્યું, “ઇઝરાયલીઓ જે વિશિષ્ટ હિસ્સાનાં અર્પણ મને ચડાવે છે તેની સમર્પિત વસ્તુઓ મેં તારે હસ્તક મૂકી છે. હું તને અને તારા વંશજોને કાયમને માટે એ હિસ્સો આપું છું. પરમપવિત્ર વસ્તુઓમાંથી અગ્નિમાં દહનીય નથી એવું આટલું તારું ગણાશે: તેઓ મને પવિત્ર અર્પણ તરીકે ચડાવે છે તે બધાં ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણબલિ તે તારા અને તારા વંશજોને માટે પરમપવિત્ર ગણાય. એ બધું તમારે પવિત્રસ્થાનમાં જ ખાવું. ફક્ત પુરુષોએ જ એ ખાવું. તમારે માટે એ પરમપવિત્ર ગણાય. “એ ઉપરાંત ઇઝરાયલીઓ તેમનાં બધાં અર્પણોમાંથી વિશિષ્ટ હિસ્સાના અર્પણનો અને આરતીઅર્પણનો જે હિસ્સો તેઓ મને ચડાવે તે પણ તારો જ ગણાશે. એ બધું હું તને, તારા પુત્રોને અને તારી પુત્રીઓને કાયમના હક્ક તરીકે આપું છું. તારા કુટુંબમાં જે શુધ હોય તે ખાય. “દર વર્ષે ઇઝરાયલીઓ પોતાની પેદાશનો જે ઉત્તમ ભાગ એટલે ઓલિવ તેલ, દ્રાક્ષાસવ અને અનાજ પ્રથમફળ તરીકે મને ચડાવે છે તે બધું હું તને આપું છું. લોકો પોતાની જમીનની પેદાશના પ્રથમ પાકેલા ફળ તરીકે જે કંઈ પ્રભુને ચડાવે તે બધું તારું થશે. તારા કુટુંબના જે કોઈ શુધ હોય તે તે ખાય. ઇઝરાયલમાં સમર્પિત કરવામાં આવેલી દરેક વસ્તુ તારી થશે. “ઇઝરાયલીઓ પોતાના પ્રથમ- જનિત પ્રાણી અને નર બાળકો મને અર્પણ કરે તે બધાં તારાં થશે. પરંતુ અશુધ પ્રાણીના પ્રથમ બચ્ચાંને અને માણસના પ્રથમજનિત નર બાળકને, તે જેમનાં હોય તેમની પાસેથી તમારે મુક્તિમૂલ્ય લઈ મુક્ત કરવાં. નર બાળકો એક મહિનાના થાય ત્યારે પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે તેમનું મુક્તિમૂલ્ય 55 ગ્રામ ચાંદી લઈ તેમને મુક્ત કરવા. પરંતુ ગાય, ઘેટી કે બકરીના પ્રથમજનિતને તું પૈસા આપીને મુક્ત ન કર. તેઓ તો મારાં છે અને મને અર્પણ થયેલાં છે. તેમનું લોહી તારે વેદી પર છાંટવું અને તેમની ચરબી અગ્નિબલિ તરીકે મને ચડાવવી. તેની સુવાસથી હું પ્રસન્‍ન થાઉં છું. પરંતુ તેમનું માંસ આરતીબલિની છાતીના ભાગની જેમ અને વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિતબલિના જમણા બાવડાની જેમ તારું ગણાશે. “ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મને ઉચ્છાલિત અર્પણ તરીકે ચડાવે તે બધી જ હું તને, તારા પુત્રોને અને તારી પુત્રીઓને સદાના હિસ્સા તરીકે આપું છું. આ તો તારી અને તારા વંશજોની સાથેનો મારો લૂણનો અતૂટ અને કાયમી કરાર છે.” પ્રભુએ આરોનને કહ્યું, “ઇઝરાયલની જમીનમાંથી તને કંઈ વારસો અથવા ઇઝરાયલીઓ મધ્યે કંઈ હિસ્સો મળશે નહિ. ઇઝરાયલીઓ મધ્યે હું પ્રભુ જ તારો હિસ્સો અને વારસો છું.” પ્રભુએ આરોનને કહ્યું, “લેવીઓ મુલાકાતમંડપમાં મારી સેવા કરે છે તેના બદલામાં ઇઝરાયલના સર્વ દશાંશ હું તેમના હિસ્સા તરીકે ઠરાવું છું. હવેથી બીજા ઇઝરાયલીઓ મુલાકાતમંડપની નજીક જાય નહિ; નહિ તો તેઓ દોષિત ગણાશે અને માર્યા જશે. ફક્ત લેવીઓએ જ મુલાકાતમંડપની સેવા કરવી. તે અંગે જે કોઈ ગુનો થાય તેની બધી જવાબદારી તેમને શિર છે. આ કાયમી વિધિ છે. તારા વંશજોને પણ તે લાગુ પડે છે. લેવીઓને ઇઝરાયલમાં વતનનો કોઈ હિસ્સો મળશે નહિ. કારણ, ઇઝરાયલીઓ મને જે દશાંશ ખાસ અર્પણ તરીકે ચડાવે તે હું લેવીઓને વારસા તરીકે આપું છું. તેથી જ મેં તેમને કહ્યું છે કે ઇઝરાયલમાં બીજાની માફક તમને વારસો મળશે નહિ.” પ્રભુએ મોશેને કહ્યું, “લેવીઓને આ પ્રમાણે કહે: જ્યારે તમારા વારસા તરીકે મેં ઠરાવી આપેલ દસમો ભાગ ઇઝરાયલીઓ પાસેથી તમને મળે ત્યારે તમારે તેમાંથી તે દશાંશનો દસમો ભાગ મને વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિતબલિ તરીકે અર્પણ કરવો. *** તમારું એ વિશિષ્ટ હિસ્સાનું ઉચ્છાલિત અર્પણ ખળામાંથી અર્પાયેલ ધાન્ય અને દ્રાક્ષકુંડની વિપુલ ઊપજમાંના અર્પણ સમાન ગણાશે. આ રીતે ઇઝરાયલીઓ તરફથી તમને મળેલા દશાંશમાંથી તમારે પ્રભુની સંમુખ ઉચ્છાલિત અર્પણ લાવવું. તેથી તમે પણ દસમો ભાગ આપ્યો ગણાશે. તમારે પ્રભુનો આ ભાગ ઉચ્છાલિત અર્પણ તરીકે યજ્ઞકાર આરોનને આપવો. તમને મળેલા બધા દસમા ભાગમાંથી ઉત્તમોત્તમ દસમો ભાગ અલગ કરીને પ્રભુને આપવો. તેથી તું તેમને કહે કે જ્યારે તમે ઉત્તમોત્તમ ભાગ અલગ કરીને અર્પણ કરો તે પછીનો બાકીનો ભાગ તમારે માટે જમીન અને દ્રાક્ષકુંડની પેદાશની જેમ ગણાશે. તમે અને તમારાં કુટુંબો ગમે ત્યાં બેસીને તે ખાઈ શકશો. મુલાકાતમંડપમાંની તમારી સેવાનું એ વેતન છે. દશાંશમાંથી પ્રભુને ઉત્તમોત્તમ ભાગ અર્પવામાં આવે તે પછી બાકીનો ભાગ ખાવાથી તમે દોષિત ઠરશો નહિ. પ્રભુને ઉત્તમ ભાગ આપ્યા પહેલાં તેમાંથી ખાઈને ઇઝરાયલીઓના પવિત્ર અર્પણને અશુધ ન કરો; નહિ તો, તમે માર્યા જશો.” પ્રભુએ મોશે અને આરોનને કહ્યું, “આ પ્રભુએ ફરમાવેલો નિયમ છે: તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે કે કોઈપણ ખોડ વગરની અને કદી જોતરાઈ ન હોય એવી એક લાલ વાછરડી તેઓ તારી પાસે લાવે. તમે તે વાછરડી યજ્ઞકાર એલાઝારને આપો. તે તેને પડાવ બહાર લઈ જાય અને તેની હાજરીમાં તેને વધેરવામાં આવે. ત્યાર પછી યજ્ઞકાર એલાઝાર તેના રક્તમાંથી થોડું આંગળી ઉપર લઈને મુલાકાતમંડપના પ્રવેશદ્વારની દિશામાં સાત વાર છાંટે. પછી વાછરડીનાં ચામડાં, માંસ, લોહી અને આંતરડા સાથે તેનું યજ્ઞકારની હાજરીમાં દહન કરવામાં આવે. પછી યજ્ઞકારે ગંધતરુનું લાકડું, ઝુફો અને કિરમજી રંગની દોરડી લઈ વાછરડીના દહનના અગ્નિમાં નાખવું. ત્યાર પછી યજ્ઞકાર પોતાનાં કપડાં ધોઈ નાખે, પાણીથી સ્નાન કરે, ને પછી તે પડાવમાં જઈ શકે. પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જે માણસ વાછરડીનું દહન કરે તેણે પણ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. હવે એક શુદ્ધ માણસે તે વાછરડીની રાખ એકઠી કરવી અને છાવણી બહાર કોઈ સ્વચ્છ જગ્યાએ રાખી મૂકવી. ઇઝરાયલીઓની અશુદ્ધતા દૂર કરવા માટે શુદ્ધિકરણનું પાણી બનાવવા તેનો ઉપયોગ કરવામાં આવે. એ તો શુદ્ધિકરણ માટે પાપનિવારણનો બલિ છે. જે માણસ વાછરડીની રાખ એકઠી કરે તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. ઇઝરાયલીઓ માટે અને તેમની મધ્યે વસતા પરદેશી માટે આ કાયમનો વિધિ છે. “જે કોઈ માણસ મૃતદેહનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. તેણે ત્રીજે અને સાતમે દિવસે શુદ્ધિકરણના પાણીથી પોતાનું શુદ્ધિકરણ કરવું. ત્યાર પછી તે શુદ્ધ ગણાશે. પણ જો તે ત્રીજા અને સાતમા બંને દિવસે પોતાને શુદ્ધ ન કરે તો તે શુદ્ધ થશે નહિ. જો કોઈ માણસ મૃતદેહનો સ્પર્શ કરે અને પોતાને શુદ્ધ ન કરે તો તે અશુદ્ધ રહે છે. કારણ, તેના પર શુદ્ધિકરણનું પાણી રેડવામાં આવ્યું નથી. તે પ્રભુના મંડપને અશુદ્ધ કરે છે. એવા માણસનો બહિષ્કાર કરવો. “જો કોઈ માણસ તંબૂમાં મરી જાય તો તે માટે આ નિયમ છે: જો કોઈ તે સમયે તંબૂમાં હોય તથા તે પછી જે કોઈ તે તંબૂમાં જાય તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. તંબૂમાંનું ઢાંકણા વગરનું દરેક ઉઘાડું પાત્ર અશુદ્ધ ગણાય. જો કોઈ તંબૂની બહાર, તલવારથી અથવા કુદરતી રીતે મરી ગયેલા મૃતદેહનો સ્પર્શ કરે અથવા માણસના હાડકાંને કે કબરને અડકે તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય. “આવા અશુદ્ધ થયેલા માટે પ્રાયશ્ર્વિતબલિની એટલે દહન કરેલી લાલ વાછરડીની રાખ લઈ એક વાસણમાં મૂકવી અને તેમાં તાજું પાણી રેડવું. પછી કોઈ શુદ્ધ વ્યક્તિએ ઝુફો લઈને પાણીમાં બોળી તંબૂ ઉપર, તેમાંનાં બધાં વાસણો ઉપર તથા તેમાંનાં બધાં માણસો ઉપર તે છાંટવું. અથવા જેણે માણસના હાડકાંનો, શબનો કે કબરનો સ્પર્શ કર્યો હોય તેના ઉપર તે છાંટવું. જે કોઈ શુદ્ધ હોય તેણે ત્રીજે અને સાતમે દિવસે અશુદ્ધ થયેલા માણસ ઉપર તે પાણી છાંટવું. સાતમે દિવસે તેણે એ માણસનું શુદ્ધિકરણ કરવું. અશુદ્ધ થયેલા માણસે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને પાણીમાં સ્નાન કરવું, પછી સાંજે તે શુદ્ધ થયેલો ગણાશે. “કોઈ અશુદ્ધ થયેલો માણસ પોતાનું શુદ્ધિકરણ કરાવે નહિ તો તેનો તમારે સમાજમાંથી બહિષ્કાર કરવો. કારણ, તેણે પ્રભુના પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું છે અને તેના ઉપર શુદ્ધિકરણનું પાણી છાંટવામાં આવ્યું નથી. તમારે માટે આ કાયમનો વિધિ છે. જે માણસ શુદ્ધિકરણનું પાણી છાંટે તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને જે કોઈ એ પાણીને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અશુદ્ધ માણસ જે કોઈ વસ્તુને અડકે તે અશુદ્ધ ગણાય અને જે કોઈ આવી વસ્તુને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.” પહેલા મહિનામાં ઇઝરાયલી- ઓનો સમસ્ત સમાજ સીનના રણપ્રદેશમાં આવ્યો. તેમણે કાદેશમાં પડાવ નાખ્યો. ત્યાં મિર્યામનું અવસાન થયું અને ત્યાં તેને દફનાવવામાં આવી. તેમણે પડાવ નાખ્યો ત્યાં પાણી નહોતું. તેથી ઇઝરાયલીઓએ મોશે અને આરોન વિરુધ તકરાર કરી: “પ્રભુની સમક્ષ અમારા જાતભાઈઓ મરી ગયા ત્યારે અમે પણ તેમની સાથે મરી ગયા હોત તો કેવું સારું! તમે શા માટે પ્રભુના સમુદાયને આ રણપ્રદેશમાં લાવ્યા છો? અમે અને અમારાં ઢોરઢાંક અહીં મરી જઈએ તે માટે? તમે શા માટે અમને ઇજિપ્તમાંથી કાઢીને જ્યાં કંઈ જ ઊગતું નથી એવી નકામી જગ્યામાં લાવ્યા છો? આ જગામાં કંઈ અનાજ, અંજીર, દ્રાક્ષ કે દાડમ નથી. અરે, પીવાને પાણી પણ નથી!” મોશે અને આરોન લોકોની સભા પાસેથી નીકળીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ગયા અને ત્યાં ભૂમિ પર ઊંધા પડયા અને તેમને પ્રભુના ગૌરવનાં દર્શન થયાં. પ્રભુએ મોશેને કહ્યું, “તું કરારપેટી સામેની લાકડી લે અને તું અને આરોન સમગ્ર સમાજને એકત્ર કરો. તે બધાના દેખતાં આ ખડકને પાણી આપવાનું કહો. એ રીતે તું તેમને માટે ખડકમાંથી પાણી કાઢ અને સમગ્ર સમાજ અને ઢોરઢાંકને પીવા માટે આપ.” *** પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશે ગયો અને લાકડી લીધી. તેણે અને આરોને સમગ્ર સમાજને ખડકની સામે એકત્ર કર્યો અને મોશેએ કહ્યું, “હે વિદ્રોહીઓ સાંભળો! શું અમે તમારે માટે આ ખડકમાંથી પાણી કાઢીએ?” ત્યાર પછી મોશેએ હાથ ઉગામીને ખડક પર બે વાર લાકડી ફટકારી. એટલે ખડકમાંથી પુષ્કળ પાણી વહેવા લાગ્યું અને બધા લોકોએ તથા ઢોરોએ તે પીધું. પણ પ્રભુએ મોશે અને આરોનને ઠપકો આપ્યો, “તમે મારા પર વિશ્વાસ કર્યો નથી અને ઇઝરાયલી લોકો સમક્ષ મારી પવિત્રતાનું સન્માન કર્યું નહિ. તેથી આ લોકોને જે દેશ આપવાનું મેં વચન આપ્યું હતું, તેમાં તમે તેમને લઈ જઈ શકશો નહિ.” આ બધું તો મરીબા (એટલે તકરાર) મુકામે બન્યું. આ સ્થળે ઇઝરાયલીઓએ પ્રભુ વિરુધ તકરાર કરી અને પોતે પવિત્ર છે તે પ્રભુએ તેમને બતાવી આપ્યું. મોશેએ કાદેશથી અદોમના રાજા પાસે સંદેશકો મોકલ્યા. તેમણે કહ્યું, “આ સંદેશો તમારા ભાઈ ઇઝરાયલ તરફથી છે. અમે કેવી મુસીબતોમાંથી પસાર થયા છીએ તે તમે જાણો છો. કેવી રીતે અમારા પૂર્વજો ઇજિપ્તમાં ગયા અને ત્યાં લાંબો સમય રહ્યા તે તમે જાણો છો. ઇજિપ્તના લોકોએ અમારા પૂર્વજોને અને અમને પુષ્કળ દુ:ખ દીધું. તેથી અમે મદદને માટે પ્રભુને પોકાર કર્યો. તેમણે અમારી વિનંતી સાંભળી અને પોતાના દૂતને મોકલીને અમને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા. અત્યારે અમે તમારા દેશની સરહદે આવેલા કાદેશમાં છીએ. અમને તમારા દેશમાં થઈને પસાર થવાની પરવાનગી આપો. અમે અને અમારાં ઢોર ધોરીમાર્ગ પર ચાલીશું. અમે ખેતરમાં કે દ્રાક્ષવાડીઓમાં થઈને જઈશું નહિ અને તમારા કૂવાનું પાણી પીશું નહિ. તમારી સરહદમાંથી પસાર થઈ જઈએ ત્યાં સુધી અમે ધોરીમાર્ગ પર જ રહીશું. અમે આજુબાજુ ક્યાંય ફંટાઈશું નહિ. પણ અદોમીઓએ જવાબ આપ્યો, “અમારા દેશમાં થઈને પસાર થવાની પરવાનગી અમે આપતા નથી. જો તમે પ્રયત્ન કરશો તો અમે તમારી પર સશસ્ત્ર આક્રમણ કરીશું.” ઇઝરાયલીઓએ કહ્યું, “અમે ધોરીમાર્ગે જ ચાલ્યા જઈશું. જો અમે કે અમારાં ઢોર તમારું પાણી પીઈએ તો અમે તમને તેના પૈસા આપી દઈશું. અમે તો ફક્ત તમારા દેશમાં થઈને પસાર થવાની પરવાનગી માગીએ છીએ.” અદોમીઓએ પસાર થવાની પરવાનગી આપી નહિ; ઊલટું, તેમણે મોટું શક્તિશાળી સૈન્ય લઈને ઇઝરાયલીઓનો સામનો કર્યો. અદોમીઓએ ઇઝરાયલીઓને તેમની સરહદમાં થઈને પસાર થવાની પરવાનગી આપી નહિ તેથી તેઓ બીજે માર્ગે ગયા. ઇઝરાયલનો સમસ્ત સમાજ કાદેશથી નીકળીને અદોમની સરહદ પર આવેલ હોર પર્વત પાસે આવ્યો. ત્યાં પ્રભુએ મોશે અને આરોનને કહ્યું, “આરોન હવે મૃત્યુ પામીને પોતાના પૂર્વજો સાથે ભળી જશે. મેં ઇઝરાયલીઓને જે દેશ આપવાનું વચન આપ્યું છે તેમાં તે પ્રવેશી શકશે નહિ. કારણ, તમે મરીબાના ઝરણા પાસે મારી આજ્ઞાની વિરુધ વિદ્રોહ કર્યો હતો. આરોન અને તેના પુત્ર એલાઝારને લઈને તું હોર પર્વત પર જા. ત્યાં આરોનનાં યજ્ઞકારનાં વસ્ત્રો ઉતારી લઈને તે તેના પુત્ર એલાઝારને પહેરાવજે. આરોન ત્યાં મૃત્યુ પામશે અને પોતાના પૂર્વજોની સાથે ભળી જશે.” મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું. સમગ્ર સમાજના દેખતાં તેઓ હોર પર્વત પર ગયા. મોશેએ આરોનનાં યજ્ઞકારનાં વસ્ત્રો ઉતારી લીધાં અને તે તેના પુત્ર એલાઝારને પહેરાવ્યાં. ત્યાં પર્વતના શિખર ઉપર આરોન મૃત્યુ પામ્યો, અને મોશે તથા એલાઝાર પર્વત પરથી પાછા આવ્યા. સમગ્ર સમાજમાં ખબર પડી કે આરોનનું અવસાન થયું છે. તેથી બધા ઇઝરાયલીઓએ તેને માટે ત્રીસ દિવસ સુધી શોક પાળ્યો. અરાદનો રાજા કનાની હતો અને તે દક્ષિણના નેગેબ પ્રદેશમાં રહેતો હતો. તેને ખબર પડી કે ઇઝરાયલીઓ અથારીમના માર્ગે આવી રહ્યા છે. તેણે ઇઝરાયલીઓ પર આક્રમણ કર્યું અને તેઓમાંના કેટલાકને જીવતા કેદ પકડી લીધા. ત્યારે ઇઝરાયલીઓએ પ્રભુ સમક્ષ માનતા લીધી, “જો તમે આ લોકો પર અમને વિજય અપાવો તો અમે તમને તેમનું સમર્પણ કરીશું અને તેમનાં નગરોનો સંપૂર્ણ વિનાશ કરીશું.” પ્રભુએ તેમની વિનંતી સાંભળી અને કનાનીઓને તેમના હાથમાં સોંપી દીધા. ઇઝરાયલીઓએ તેમનો અને તેમનાં નગરોનો સંપૂર્ણ વિનાશ કર્યો અને તે જગાનું નામ ‘હોર્મા’ (અર્થાત્ વિનાશ) પાડવામાં આવ્યું. ઇઝરાયલીઓ હોર પર્વતથી સૂફ સમુદ્રે જતા માર્ગે ચાલી નીકળ્યા કે જેથી તેઓ અદોમની સરહદની બહાર થઈને જઈ શકે. રસ્તો લાંબો હોવાથી લોકોની ધીરજ ખૂટી ગઈ. તેમણે મોશે અને ઈશ્વર વિરૂદ્ધ ફરિયાદ કરી, “આ વેરાન રણપ્રદેશમાં અમે માર્યા જઈએ માટે તમે અમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો? અહીં તો નથી પીવાને પાણી કે ખાવાને અન્‍ન! આ હલકા ખોરાકથી અમે કંટાળ્યા છીએ!” ત્યારે પ્રભુએ તેઓ મધ્યે આગિયા સાપ મોકલ્યા. તેમના કરડવાને લીધે ઘણા ઇઝરાયલીઓ માર્યા ગયા. એટલે લોકો મોશે પાસે આવ્યા અને કહ્યું, “પ્રભુની વિરૂધ અને તમારી વિરુધ બોલીને અમે પાપ કર્યું છે. તમે અમારે માટે પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ અમને આ સાપોથી બચાવી લે,” તેથી મોશેએ લોકોને માટે પ્રાર્થના કરી. તેથી પ્રભુએ મોશેને કહ્યું, “તું ધાતુનો એક સાપ બનાવ. તેને થાંભલા પર લટકાવ. જેને સાપે ડંખ દીધો હોય તે તેને જુએ એટલે તે સાજો થઈ જશે.” તેથી મોશેએ તાંબાનો સાપ બનાવ્યો. તેને થાંભલા પર મૂકવામાં આવ્યો. જે વ્યક્તિને સાપ કરડે તે એ તામ્ર સર્પને જોઈને સાજી થઈ જતી. ઇઝરાયલીઓ આગળ ચાલ્યા અને ઓબોથમાં પડાવ નાખ્યો, ત્યાર પછી મોઆબની પૂર્વ તરફ આવેલા રણપ્રદેશમાં ઈર્યે-અબારીમ નામના સ્થળે તેમણે મુકામ કર્યો. ત્યાર પછી તેમણે ઝેરેદના ખીણપ્રદેશમાં પડાવ નાખ્યો, ત્યાંથી તેઓ આગળ ચાલ્યા અને આર્નોન નદીની ઉત્તર બાજુએ, અમોરીઓની સરહદ સુધી જતા રણપ્રદેશમાં પડાવ નાખ્યો. આર્નોન નદી મોઆબીઓ અને અમોરીઓ વચ્ચેની સરહદ હતી. આથી જ પ્રભુના યુધોના ગ્રંથમાં લખ્યું છે, “સૂફા વિસ્તારમાં વાહેબ નગર તથા આર્નોનનો ખીણપ્રદેશ અને આરની વસાહત તરફ જતો અને મોઆબની સરહદને અડતો ખીણપ્રદેશનો ઢોળાવ.” ત્યાંથી તેઓ બએર આવ્યા. આ કૂવા આગળ પ્રભુએ મોશેને કહ્યું હતું કે, “તું લોકોને એકત્ર કર અને હું તેમને પાણી આપીશ.” તે વખતે ઇઝરાયલીઓએ આ ગીત ગાયું હતું: “હે કૂવાઓ, તમારાં પાણી ઊછળી આવો, અને અમે ગીત ગાઈને તેને વધાવી લઈશું. આ કૂવો તો રાજકુમારોએ અને લોકોના આગેવાનોએ ખોદ્યો છે. એ તો રાજદંડ અને તેમની લાકડીઓથી ખોદવામાં આવ્યો છે.” ત્યાર પછી રણપ્રદેશમાંથી તેઓ માત્તાના ગયા અને માત્તાનાથી નાહલિયેલ, અને નાહલિયેલથી બામોથ, અને બામોથથી તેઓ મોઆબની હદમાં રણપ્રદેશની સામે પિસ્ગાહની તળેટીમાં આવેલા ખીણપ્રદેશમાં ગયા. ત્યાર પછી ઇઝરાયલીઓએ અમોરીઓના રાજા સિહોનને સંદેશકો મારફતે સંદેશો મોકલ્યો: “અમને તમારા દેશમાં થઈને જવા દો. અમે ફંટાઈને તમારાં ખેતરો કે દ્રાક્ષવાડીઓમાં થઈને જઈશું નહિ અને તમારા કૂવાઓનું પાણી પણ પીશું નહિ. પણ અમે તો સરહદ ઓળંગીએ ત્યાં સુધી ધોરીમાર્ગે જ ચાલીશું.” પણ રાજા સિહોને ઇઝરાયલીઓને પોતાના દેશમાં થઈને જવા દીધા નહિ; પણ પોતાનું લશ્કર એકત્ર કરીને ઇઝરાયલીઓનો સામનો કરવા તે વેરાનપ્રદેશમાં યાહાસ સુધી પહોંચી ગયો અને ઇઝરાયલ વિરૂધ લડાઈ કરી. પણ ઇઝરાયલીઓએ દુશ્મનોની ક્તલ ચલાવી અને આર્નોન નદીથી ઉત્તરે યાબ્બોક નાળા સુધીનો એટલે આમ્મોનીઓની સરહદ સુધી આવેલો પ્રદેશ કબજે કરી લીધો. કારણ આમ્મોનીઓની સરહદ તો સુરક્ષિત હતીl. ઇઝરાયલીઓએ હેશ્બોન અને તેની આસપાસનાં ગામો સહિત અમોરીઓનાં બધાં નગરો જીતી લીધાં અને તેમાં તેમણે વસવાટ કર્યો. હેશ્બોન તે અમોરીઓના રાજા સિહોનની રાજધાની હતી. સિહોને મોઆબીઓના અગાઉના રાજા સામે યુધ કરીને આર્નોન નદી સુધીનો તેનો બધો પ્રદેશ કબજે કરી લીધો હતો. એટલે તો રાજકવિઓએ ગાયું છે: હેશ્બોન નગરમાં પધારો, સિહોન રાજાનું એ નગર બાંધો; એનો ર્જીણોધાર કરો. કારણ, હેશ્બોનમાંથી અગ્નિ અને સિહોનના નગરમાંથી ભડકો નીકળ્યો! તેણે મોઆબના આર નગરને અને આર્નોનના ઉચ્ચપ્રદેશને ભરખી નાખ્યા છે. હે મોઆબના લોકો, તમારી કેવી પાયમાલી થઈ છે! હે કમોશના પૂજકો, તમારું સત્યાનાશ વળ્યું છે! તમારા દેવે તો તમારા યોધાઓને શરણાર્થી બનાવી દીધા છે, અને તમારી યુવતીઓને અમોરીઓના રાજા સિહોનના કબજામાં જવા દીધી. પણ હવે હેશ્બોનથી દીબોન સુધી અને નાશીમથી મેદેબા નજીક નોફાહ સુધી તેમના વંશજોનો વિનાશ થયો. આ રીતે ઇઝરાયલીઓએ અમોરીઓના પ્રદેશમાં વસવાટ કર્યો. ત્યાર પછી મોશેએ યાઝેર નગર પર કેવી રીતે આક્રમણ કરવું તેની તપાસ કરવા જાસૂસો મોકલ્યા. ઇઝરાયલીઓએ આસપાસનાં ગામો સહિત તે નગરનો કબજો લીધો અને ત્યાં વસતા અમોરીઓને હાંકી કાઢયા. ત્યાર પછી ઇઝરાયલીઓ ત્યાંથી ફંટાઈને બાશાનને માર્ગે આગળ વયા. ત્યારે બાશાનનો રાજા ઓગ પોતે પોતાનું લશ્કર લઈને તેમનો સામનો કરવા એડ્રેઈ આગળ ધસી આવ્યો. પણ પ્રભુએ મોશેને કહ્યું, “તેનાથી બીશ નહિ. કારણ, મેં તેને, તેના બધા લોકોને અને તેના દેશને તમારા હાથમાં સોંપી દીધા છે. તું હેશ્બોનમાં રાજ કરતા અમોરીઓના રાજા સિહોનના જેવી તેમની દશા પણ કર.” તેથી ઇઝરાયલીઓએ ઓગને, તેના પુત્રોને અને તેના બધા લોકોને મારી નાખ્યા. એટલે સુધી કે તેઓમાંનું કોઈ બચવા પામ્યું નહિ. ત્યાર પછી ઇઝરાયલીઓએ તેમનો દેશ કબજે કરી લીધો. ઇઝરાયલીઓ આગળ ચાલ્યા અને તેમણે મોઆબના સપાટ મેદાનોમાં યર્દન નદીને પૂર્વ કિનારે યરીખોની સામે પડાવ નાખ્યો. ઇઝરાયલીઓએ અમોરીઓની જે દશા કરી હતી તે વિષે મોઆબના રાજા, સિપ્પોરના પુત્ર બાલાકે સાંભળ્યું. તેથી તે અને તેના બધા લોકો ઇઝરાયલીઓની મોટી સંખ્યા જોઈને ભયથી ધ્રૂજી ઊઠયા. મોઆબીઓએ મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ સાંઢ મેદાનના ઘાસને સફાચટ કરી જાય તેમ આ સમુદાય આપણી આસપાસનું બધું ભરખી જશે.” તેથી સિપ્પોરના પુત્ર બાલાક રાજાએ બયોરના પુત્ર બલામને બોલાવી લાવવા સંદેશકો મોકલ્યા. આ વખતે બલામ અમોરીઓના પ્રદેશમાં યુફ્રેટિસ નદીને કિનારે આવેલા પયોરમાં રહેતો હતો. તેઓ તેની પાસે બાલાકનો આ સંદેશો લાવ્યા: “ઇજિપ્તથી એક મોટી પ્રજા આવી છે. તેમનાથી આખો પ્રદેશ છવાઈ ગયો છે અને તેમણે મારી વિરૂધ પડાવ નાખ્યો છે. તેમની લશ્કરી તાક્ત અમારા કરતાં વધારે છે. તેથી કૃપા કરીને જલદી આવ અને આ લોકોને શાપ દે; કદાચ એમ હું તેમને હરાવી શકીશ અને તેમને દેશમાંથી હાંકી કાઢી શકીશ. કારણ, હું જાણું છું કે તું જેને આશિષ આપે છે તે આશીર્વાદિત થાય છે અને તું જેને શાપ દે છે તે શાપિત થાય છે.” તેથી મોઆબ અને મિદ્યાનના આગેવાનો પોતાની સાથે શાપ અપાવવા માટેની રકમ લઈને બલામની પાસે ગયા અને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો. બલામે તેમને કહ્યું, “આજની રાત અહીં રહો. પ્રભુ જે કહેશે તે જવાબ હું તમને સવારે આપીશ.” તેથી મોઆબના આગેવાનો બલામની સાથે રહ્યા. ઈશ્વરે બલામની પાસે આવીને પૂછયું, “તારી સાથે ઊતરેલા આ લોકો કોણ છે?” બલામે જવાબ આપ્યો, “મોઆબના રાજા બાલાકે તેમને મારી પાસે મોકલ્યા છે અને મને કહેડાવ્યું છે કે, ‘ઈજિપ્તમાંથી એક પ્રજા મારે ત્યાં આવી છે. તેમનાથી આખો પ્રદેશ છવાઈ ગયો છે. હવે તું આવીને આ લોકોને શાપ આપ. કદાચ હું તેમને યુધમાં હરાવી શકું અને દેશમાંથી હાંકી કાઢી શકું.” ઈશ્વરે બલામને કહ્યું, “આ લોકો સાથે તું જઈશ નહિ અને ઇઝરાયલીઓને શાપ આપીશ નહિ. કારણ, મેં તેમને આશીર્વાદિત કરેલા છે.” તેથી બલામે સવારે ઊઠીને બાલાકના આગેવાનોને કહ્યું, “તમે તમારે ઘેર પાછા જાઓ. કારણ, પ્રભુએ મને તમારી સાથે આવવાની ના પાડી છે. તેથી મોઆબના આગેવાનો પાછા ગયા અને બાલાક પાસે જઈને તેને કહ્યું, “બલામે અમારી સાથે આવવાની ના પાડી છે.” ત્યાર પછી બાલાકે પ્રથમ કરતાં વધુ પ્રતિષ્ઠિત એવા વધારે આગેવાનોને મોકલ્યા. તેમણે બલામ પાસે આવીને કહ્યું, “સિપ્પોરના પુત્ર બાલાકે આ પ્રમાણે સંદેશો મોકલ્યો છે. ‘કૃપા કરીને મારી પાસે આવવામાં તમે કશાથી રોકાશો નહિ. હું તમને મોટો બદલો આપીશ અને તમે મને જે કંઈ કહેશો તે હું કરીશ. મારી પાસે જલદી આવો અને મારે માટે આ લોકોને શાપ આપો.” પણ બલામે જવાબ આપ્યો, “જો બાલાક પોતાના મહેલનું બધું સોનુંરૂપું મને આપે તોપણ નાનીમોટી કોઈ વાતમાં હું પ્રભુ મારા ઈશ્વરની વાણીની વિરુધ જઈ શકું નહિ. તમે પણ આજની રાત અહીં રોકાઈ જાઓ. જેથી પ્રભુ મને બીજું કંઈક કહેવાના હોય તો તે હું જાણી શકું.” તે રાત્રે ઈશ્વરે આવીને બલામને કહ્યું, “જો આ માણસો તને લઈ જવા માટે આવ્યા હોય તો તું તેમની સાથે જા. તું તૈયાર થઈને જા, પણ હું જે કહું તેટલું જ કહેજે.” તેથી બલામ સવારે ઊઠયો અને ગધેડી પર પલાણ નાખીને મોઆબના આગેવાનો સાથે ચાલી નીકળ્યો. બલામ તેમની સાથે ગયો. તેથી ઈશ્વરનો કોપ સળગી ઊઠયો. બલામ પોતાના બે ચાકરો સાથે ગધેડી પર બેસીને જતો હતો ત્યારે તેને રોકવાને માટે પ્રભુનો એક દૂત તેના વિરોધી તરીકે રસ્તા વચ્ચે ઊભો રહ્યો. ગધેડીએ પ્રભુના દૂતને ખુલ્લી તલવાર લઈને ઊભેલો જોયો એટલે તે માર્ગમાંથી ફંટાઈને ખેતરમાં વળી ગઈ. બલામ તેને ફટકારીને પાછી રસ્તા પર લઈ આવ્યો. ત્યાર પછી પ્રભુનો દૂત ત્યાંથી ખસીને જ્યાં બંને બાજુએ દ્રાક્ષવાડીઓ અને એ વાડીઓની પથ્થરની દીવાલ હતી ત્યાં સાંકડા માર્ગમાં ઊભો રહ્યો. ગધેડીએ પ્રભુના દૂતને જોયો એટલે તે પથ્થરની દીવાલને ઘસાઈને ચાલવા લાગી. તેથી બલામનો પગ કચડાયો. તેથી બલામે ગધેડીને ફરીથી ફટકારી. પછી પ્રભુનો દૂત આગળ ગયો અને એવી સાંકડી જગ્યા પસંદ કરી કે જ્યાં ડાબે કે જમણે વળવાની જગ્યા જ નહોતી. આ વખતે ગધેડીએ પ્રભુના દૂતને જોયો એટલે તે બલામને લઈને બેસી પડી. બલામને ખૂબ જ ગુસ્સો ચડયો અને તેણે ગધેડીને લાકડીથી ઝૂડી પાડી. ત્યારે પ્રભુએ ગધેડીને વાચા આપી. તેણે બલામને કહ્યું, “મેં તારું શું બગાડયું છે? તેં શા માટે મને ત્રણ વાર ફટકારી?” બલામે ગધેડીને કહ્યું, “એટલા માટે કે તેં મારી ફજેતી કરી છે. જો મારી પાસે તલવાર હોત તો હું તને હમણાં જ મારી નાખત.” ગધેડીએ કહ્યું, “શું હું તારી એ જ ગધેડી નથી કે જેના પર તેં જિંદગીભર સવારી કરી છે. આજ દિન સુધી મેં તને કદી આવું કર્યું છે?” ત્યારે પ્રભુએ બલામની આંખો ઉઘાડી. તેણે પ્રભુના દૂતને ખુલ્લી તલવાર લઈને માર્ગમાં ઊભેલો જોયો. તરત જ બલામે ભૂમિ પર ઊંધા પડીને તેને પ્રણામ કર્યા. પ્રભુના દૂતે તેને કહ્યું, “તેં ત્રણવાર તારી ગધેડીને કેમ મારી? તારી આ મુસાફરી મને પસંદ નથી. તેથી તને રોકવા હું આવ્યો છું. ગધેડીએ ત્રણવાર મને જોયો અને એ ત્રણવાર બાજુએ ખસી ગઈ. જો તે ખસી ગઈ ન હોત તો મેં તને ક્યારનો ય મારી નાખ્યો હોત અને ગધેડીને બચાવી લીધી હોત.” બલામે પ્રભુના દૂતને કહ્યું, “મેં પાપ કર્યું છે. મારો સામનો કરવા તમે મારા માર્ગમાં આડા ઊભા છો તેની મને ખબર ન હતી. મારું જવું તમને પસંદ પડતું ન હોય તો હું ઘેર પાછો જવા તૈયાર છું.” પણ પ્રભુના દૂતે બલામને કહ્યું, “તું આ માણસોની સાથે જા. પણ હું તને જે કહું તે જ તારે તેમને કહેવું.” તેથી બલામ બાલાકના માણસો સાથે ગયો. બલામ આવે છે તેની બાલાકને ખબર પડી. તેથી બાલાક તેને મળવા માટે મોઆબની સરહદના છેવાડે આર્નોન નદી પાસે આવેલા આર નગર સુધી ગયો. બાલાકે બલામને કહ્યું, “મેં તમને બોલાવવાને માણસો મોકલ્યા ન હતા? તો તમે કેમ આવ્યા નહિ? તમને એવું લાગ્યું કે હું તમને યોગ્ય ભેટ નહિ આપી શકું?” ત્યારે બલામે બાલાકને કહ્યું, “જો, હું આવ્યો તો છું! પણ હવે હું ધારું તે બોલવાને મને અધિકાર છે? ઈશ્વર મારા મુખમાં જે શબ્દો મૂકે તે જ હું બોલીશ.” પછી બલામ બાલાક સાથે કિર્યાથ- હુસોથમાં ગયો. બાલાકે આખલા અને ઘેટાંઓનો વધ કર્યો અને તેમાંથી કેટલોક ભાગ બલામ અને તેની સાથેના આગેવાનોને મોકલી આપ્યો. *** બીજે દિવસે સવારે બાલાક બલામને બઆલનાં ઉચ્ચ ભક્તિસ્થાનો પર લઈ ગયો, જ્યાંથી ઇઝરાયલી લોકોનો સૌથી છેવાડાનો ભાગ પણ દેખાતો હતો. બલામે બાલાકને કહ્યું, “મારે માટે તું અહીં સાત યજ્ઞવેદી બાંધ અને મને સાત આખલા અને સાત બકરા લાવી આપ.” બાલાકે તેના કહેવા પ્રમાણે કર્યું. તેણે અને બલામે દરેક યજ્ઞવેદી પર એક આખલા અને એક ઘેટાનો બલિ ચડાવ્યો. પછી બલામે બાલાકને કહ્યું, “તું તારા દહનબલિ પાસે ઊભો રહે અને હું ઉપર જાઉં, કદાચ પ્રભુ મને મળવા આવશે. તે મને જે પ્રગટ કરશે તે હું તને જણાવીશ.” પછી તે એક વેરાન ટેકરી પર એકલો ગયો. ત્યાં ઈશ્વર તેને મળ્યા. બલામે તેમને કહ્યું, “મેં સાત યજ્ઞવેદીઓ તૈયાર કરી છે અને દરેક પર એક આખલા અને એક ઘેટાનું અર્પણ કર્યું છે.” પછી બાલાકને શો સંદેશો આપવો તે જણાવીને પ્રભુએ બલામને પાછો મોકલ્યો. તેથી બલામ બાલાક પાસે પાછો ગયો, બાલાક તો મોઆબના આગેવાનો સાથે હજી દહનબલિ પાસે જ ઊભો હતો. બલામે પોતાને પ્રભુ તરફથી મળેલી વાણી કહી સંભળાવી. “મોઆબનો રાજા બાલાક મને અરામથી, પૂર્વની પર્વતમાળામાંથી બોલાવી લાવ્યો છે. તેણે કહ્યું, ‘આવ, અને યાકોબના વંશજોને શાપ દે; આવ, અને ઇઝરાયલીઓને ધૂત્કાર.’ જેમને ઈશ્વરે શાપ દીધો નથી, તેમને હું કેમ શાપ દઉં? જેમને પ્રભુએ ધૂર્ત્ક્યા નથી તેમને હું કેમ ધૂત્કારું? ખડકોનાં શિખરો ઉપરથી હું તેમને જોઉં છું. પર્વત પરથી હું તેમને નિહાળું છું. એ તો અલાયદી રહેનાર પ્રજા છે, અને બીજી પ્રજાઓ કરતાં પોતાને વિશિષ્ટ ગણે છે. રેતીના કણની જેમ ઇઝરાયલી પ્રજા અગણિત છે. અરે, તેની વસતીના ચોથા ભાગની સંખ્યા પણ કોણ ગણી શકે? એ ઈશ્વરના લોક જેવું મોત મને મળો, અને નેકજનની જેમ મારું મૃત્યુ ચિર શાંતિમાં થાઓ!” પછી બાલાકે બલામને કહ્યું, “તેં મને આ શું કર્યું? મેં તો તને મારા દુશ્મનોને શાપ આપવા માટે બોલાવ્યો હતો અને તેં તો તેમને નર્યો આશીર્વાદ જ દીધો.” પણ બલામે કહ્યું, “મારે તો પ્રભુ મારા મુખમાં જે વાચા મૂકે તે જ બોલવી ન પડે?” ત્યાર પછી બાલાકે બલામને કહ્યું, “તું મારી સાથે બીજી જગ્યાએ આવ. ત્યાંથી તું બધા નહિ પણ થોડા જ ઇઝરાયલીઓને જોશે. ત્યાંથી મારે માટે તું તેમને શાપ આપ.” તે તેને પિસ્ગાહ શિખર પર આવેલા સોફીમના મેદાનમાં લઈ ગયો ત્યાં તેણે સાત યજ્ઞવેદી બાંધી અને દરેક પર એક આખલા અને એક ઘેટાનો બલિ ચડાવ્યો. બલામે બાલાકને કહ્યું, “તું અહીં તારા દહનબલિ પાસે ઊભો રહે અને હું ત્યાં જઈને ઈશ્વરને મળી આવું.” પ્રભુ બલામને મળ્યા, પોતાની વાણી સંભળાવતાં તેમણે કહ્યું, “બાલાક પાસે પાછો જા અને આ પ્રમાણે કહેજે.” તેથી બલામ બાલાક પાસે પાછો ગયો. બાલાક તો મોઆબના આગેવાનો સાથે, પોતાના દહનબલિ પાસે ઊભો હતો. બાલાકે તેને પૂછયું, “પ્રભુએ તને શું કહ્યું?” તેથી બલામે આ અગમવાણી ઉચ્ચારી: “હે સિપ્પોરના પુત્ર બાલાક, આવ અને મારી વાણી ધ્યનથી સાંભળ. ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. એ કંઈ માનવપુત્ર નથી કે પોતાનો વિચાર બદલે. એ પોતાનું વચન પાળે છે, અને તે જે બોલે છે તે પ્રમાણે કરે છે. મને તો આશિષ આપવાની સૂચના મળી છે અને જ્યારે ઈશ્વરે આશીર્વાદ આપ્યો છે ત્યારે મારાથી તે બદલાય નહિ. યાકોબના વંશજોમાં કોઈ અનીતિ દેખાઈ નથી; ઇઝરાયલીઓમાં કોઈ ઉપદ્રવ જણાયો નથી. પ્રભુ તેમના ઈશ્વર તેમની સાથે છે; તેઓ તેમના રાજા ઈશ્વરનો જયજયકાર પોકારે છે. ઈશ્વર તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે; જંગલી આખલા જેવું તેમનું બળ છે. ઇઝરાયલી પ્રજાની વિરુધ કોઈ તંત્રમંત્ર ચાલે એમ નથી, યાકોબના વંશજો વિરુધ કોઈ જાદુમંતર સફળ થાય એમ નથી, હવે તો લોકો ઇઝરાયલીઓ વિષે કહેશે, ‘જુઓ તો ખરા, તેમના ઈશ્વરે કેવું અજાયબ કામ કર્યું છે!’ ઊભી થયેલી સિંહણ અને તરાપ મારનાર સિંહ જે પોતાનો શિકાર મારીને ખાય નહિ અને તેનું લોહી પીએ નહિં ત્યાં સુધી નિરાંતે બેસતાં નથી, તેમના જેવી ઇઝરાયલી પ્રજા છે.” ત્યારે બાલાકે બલામને કહ્યું, “તું ઇઝરાયલને શાપ ન આપે તો કંઈ નહિ પણ તેમને આશિષ તો ન જ આપ.” પણ બલામે બાલાકને જવાબ આપ્યો, “મેં તો તને ક્યારનુંય નહોતું કહ્યું કે મારે તો પ્રભુ મને જે કહે તે જ કરવું પડશે.” બાલાકે કહ્યું, “મારી સાથે ચાલ. હું તને અન્ય એક જગ્યાએ લઈ જાઉં. કદાચ, ત્યાંથી તું તેમને શાપ આપે એવું ઈશ્વર થવા દે. તેથી બાલાક બલામને રણપ્રદેશની સામે આવેલા પયોર શિખર પર લઈ ગયો. પછી બલામે બાલાકને કહ્યું, “અહીં મારે માટે સાત યજ્ઞવેદીઓ બંધાવ અને મને સાત આખલા અને સાત ઘેટા લાવી આપ.” બાલાકે બલામના કહ્યા પ્રમાણે કર્યું. તેણે દરેક યજ્ઞવેદી પર એક આખલા અને એક ઘેટાનો યજ્ઞ કર્યો.” હવે બલામને ખબર પડી ગઈ હતી કે પોતે ઇઝરાયલીઓને આશિષ આપે એવું પ્રભુ ઈચ્છે છે, તેથી પ્રથમની માફક તે શકુન જોવા ગયો નહિ. પણ રણપ્રદેશ તરફ મોં ફેરવીને ઊભો રહ્યો. બલામે નજર ઉઠાવીને જોયું તો ઇઝરાયલીઓએ તેમનાં કુળો પ્રમાણે પડાવ નાખ્યો હતો. ઈશ્વરના આત્માએ તેનો કબજો લીધો. અને તેણે આ દિવ્યવાણી ઉચ્ચારી: “બયોરના પુત્ર બલામનો આ સંદેશ છે; હવે જેની આંખો બધું સ્પષ્ટ જુએ છે તેના આ શબ્દો છે; જે ઈશ્વરનાં વચન સાંભળે છે, અને ઉઘાડી આંખે સર્વસમર્થ તરફથી દિવ્યદર્શન પામે છે તેની આ વાણી છે: હે ઇઝરાયલી લોકો, તમારા માંડવા કેવા રમણીય છે, હે યાકોબના વંશજો, તમારા તંબૂઓ કેવા સુંદર છે! તેઓ તો તાડ વૃક્ષોની લાંબી લાંબી ક્તારો જેવા, પ્રભુએ જાતે રોપેલા કુંવારના છોડ જેવા અને જળાશય પાસે રોપેલા ગંધતરુ જેવા છે. તેમનાં સિંચાઈનાં પાત્રોમાંથી પાણી છલકાઈને વહેશે અને તેમનાં બીજ સારી રીતે સિંચાયેલાં ખેતરોમાં વવાશે. તેમનો રાજા અગાગના કરતાંયે મહાન થશે અને તેનું રાજ ચારે બાજુ પ્રસરેલું હશે. ઈશ્વર તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો. ઇઝરાયલમાં જાણે કે જંગલી આખલા જેટલું બળ છે. તેઓ પોતાના દુશ્મનોને ભરખી જાય છે, તેમનાં હાડકાંના ભાંગીને ચૂરેચૂરા કરે છે અને પોતાનાં તીરથી તેમને વીંધી નાખે છે. ઇઝરાયલી પ્રજા તો આડા પડીને બેઠેલાં સિંહ-સિંહણ જેવી છે અને તેમને છંછેડવાની હિંમત કોણ કરે? “જે કોઈ ઇઝરાયલને આશિષ આપે તે આશીર્વાદિત થશે. જે કોઈ ઇઝરાયલને શાપ આપે તે શાપિત થશે.” આ સાંભળીને બાલાકને બલામ પર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે પોતાની મુક્કી પછાડીને બલામને કહ્યું, “મારા દુશ્મનોને શાપ આપવા માટે હું તને લઈ આવ્યો પણ તેં તો તેને બદલે તેમને ત્રણ ત્રણ વાર આશિષ આપી! હવે અહીંથી તારે ઘેર ચાલ્યો જા! મેં તને ઉચ્ચ પદવીથી સન્માનવાનું ધાર્યું હતું, પણ પ્રભુએ તને એ માનથી વંચિત રાખ્યો છે.” બલામે કહ્યું, “મેં તો તેં મોકલેલા સંદેશકોને કહ્યું હતું કે જો બાલાક તેના મહેલનું બધું સોનુંરૂપું મને આપે તોપણ હું પ્રભુની આજ્ઞા વિરુધ જઈને કશું કહી શકું નહિ. મને તો પ્રભુ જે કહેશે તે જ કહીશ!” બલામે બાલાકને કહ્યું, “હું તો ઘેર મારા લોક મધ્યે પાછો જઉં છું. પણ જતાં પહેલાં આ ઇઝરાયલીઓ ભવિષ્યમાં તારા મોઆબી લોકના કેવા હાલ કરશે તે જાણી લે.” પછી તેણે પોતાની વાણી સંભળાવી. “બયોરના પુત્ર બલામની આ વાણી છે. જેની આંખો હવે બધું સ્પષ્ટ રીતે જુએ છે, તેનાં આ કથનો છે. “જે ઈશ્વરનાં વચનો સાંભળે છે, જેને સર્વોચ્ચ ઈશ્વરનું જ્ઞાન લાયું છે, અને ઉઘાડી આંખે સર્વસમર્થ તરફથી દિવ્યદર્શન પામે છે, તેની આ વાણી છે. હું તેને જોઉં છું પણ તે અત્યારને માટે નથી, હું તેને નિહાળું છું પણ નજીકના સમય માટે નહિ. યાકોબના વંશમાંથી એક સિતારો ઝળકી ઊઠશે, એટલે ઇઝરાયલી પ્રજામાંથી એક રાજા ઉદ્ભવશે. તે મોઆબના આગેવાનોને વીંધી નાખશે અને શેથના લોકોનો સંહાર કરશે. તે અદોમીઓના પ્રદેશને, અને પોતાના દુશ્મન સેઈરના લોકોને જીતી લેશે, ત્યારે ઇઝરાયલ પોતાના શૌર્યથી વિજેતા બનશે. તે અદોમીઓને પગ તળે કચડી નાખશે અને નગરના બચી ગયેલાઓનો પણ વિનાશ કરશે.” પછી બલામે દર્શનમાં અમાલેકીઓને જોયા અને આ અગમવાણી ઉચ્ચારી: “અમાલેકીઓ બધી પ્રજાઓમાં સૌથી બળવાન હતા, પણ અંતે તેમનો સંપૂર્ણ વિનાશ કરવામાં આવશે.” પછી દર્શનમાં તેણે કેનીઓને જોયા અને આ અગમવાણી ઉચ્ચારી: “તારું રહેઠાણ સલામત લાગે છે, અને તે ખડકમાં મજબૂત રીતે બંધાયેલા માળા જેવું છે. પણ હે કેનીઓ, તમારો વિનાશ કરવામાં આવશે અને આશ્શૂર તમને કેદ કરીને લઈ જશે.” વળી, બલામે આ અગમવાણી ઉચ્ચારી: “અરે, ઉત્તરમાં આ કયા લોક એકત્ર થાય છે? તેઓ સાયપ્રસમાંથી આક્રમણ કરનારાં વહાણો લઈને આવશે. તેઓ આશ્શૂર અને એબેર પર જુલમ કરશે અને છેવટે તે પણ કાયમને માટે નાશ પામશે.” પછી બલામ ઊઠીને પોતાને ઘેર પાછો ગયો અને બાલાક પણ પોતાને માર્ગે ચાલ્યો ગયો. ઇઝરાયલીઓએ શિટ્ટીમના ખીણપ્રદેશમાં પડાવ નાખ્યો હતો ત્યારે એ લોકો ત્યાંની મિદ્યાની યુવતીઓ સાથે વ્યભિચાર કરવા લાગ્યા. આ યુવતીઓ તેમને તેમના દેવોના યજ્ઞોની મિજબાનીમાં બોલાવતી. ઇઝરાયલના કેટલાક લોકો એમનું ભોજન જમતા અને તેમના દેવોની પૂજા પણ કરતા. આમ, તેઓ પયોરના દેવ બઆલની ભક્તિમાં સામેલ થયા. આથી ઇઝરાયલીઓ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો. પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલના બધા આગેવાનોને પકડીને તેમનો ધોળે દહાડે જાહેરમાં મારી સમક્ષ સંહાર કર. જેથી ઇઝરાયલીઓ પરથી મારો પ્રચંડ કોપ દૂર થાય.” *** મોશેએ આગેવાનોને કહ્યું, “તમારે દરેકે તમારા કુળમાંથી જે કોઈ પેયોરના બઆલની પૂજાભક્તિમાં સામેલ થયો હોય તેનો સંહાર કરવો.” મોશે અને ઇઝરાયલી લોકોનો સમગ્ર સમુદાય મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે વિલાપ કરતો હતો. ત્યારે તેમની નજર સામે એક ઇઝરાયલી પુરુષ મિદ્યાની યુવતીને લઈને પોતાના તંબૂમાં ગયો. યજ્ઞકાર આરોનના પૌત્ર અને એલાઝારના પુત્ર ફિનહાસે આ જોયું. તે સભા વચ્ચેથી ઊઠયો અને ભાલો લઈને તે ઇઝરાયલીની પાછળ તંબૂમાં દોડી ગયો. તેણે ઇઝરાયલી પુરુષ અને યુવતી એ બન્‍નેને ભાલો મારીને તેમનાં પીઠ-પેટ વીંધી નાખ્યાં. એ રીતે ઇઝરાયલીઓ મધ્યે ફાટી નીકળેલો રોગચાળો બંધ થયો. છતાં જેઓ રોગથી માર્યા ગયા હતા તેમની સંખ્યા 24,000 હતી. પ્રભુએ મોશેને કહ્યું, “યજ્ઞકાર આરોનના પૌત્ર અને એલાઝારના પુત્ર ફિનહાસે જે કર્યું તેનાથી ઇઝરાયલીઓ ઉપરનો મારો રોષ શમી ગયો છે. મારા સિવાય અન્ય દેવોની પૂજા કરવાનું તેણે સાંખી લીધું નથી; તેથી મેં મારા આવેશમાં ઇઝરાયલીઓનો સંહાર કર્યો નહિ. *** તેથી ફિનહાસને તું આ પ્રમાણે કહે: હું તેની સાથે કાયમના કરારથી સંબંધ સ્થાપું છું અને તે વડે તેને અને તેના વંશજોને યજ્ઞકારપદ સોંપું છું. કારણ, પોતાના ઈશ્વર પ્રત્યેના આવેશને લીધે તેણે અન્ય દેવની પૂજા સાંખી લીધી નહિ અને ઇઝરાયલી લોકોના પાપનું પ્રાયશ્ર્વિત કર્યું છે.” મિદ્યાની યુવતીની સાથે માર્યા ગયેલા ઇઝરાયલીનું નામ ઝિમ્રી હતું. તે શિમયોનના કુળમાં, કુટુંબના વડા સાલૂનો પુત્ર હતો. અને મારી નાખવામાં આવેલ મિદ્યાની સ્ત્રીનું નામ કોઝબી હતું. તે મિદ્યાનના કુળમાં કુટુંબના વડા સૂરની દીકરી હતી. પ્રભુએ મોશેને કહ્યું, “મિદ્યાનીઓ પર હુમલો કરીને તેમનો સંહાર કરો. *** કારણ, તેમણે તેમનાં કાવતરાંથી તમને પરેશાન કર્યા છે અને પયોરના કિસ્સામાં તથા તે પછી ફાટી નીકળેલ રોગચાળા દરમ્યાન મારી નંખાયેલ મિદ્યાની આગેવાનની દીકરી કોઝબીની બાબતમાં તમને ફસાવ્યા છે.” રોગચાળા પછી પ્રભુએ મોશેને અને યજ્ઞકાર આરોનના પુત્ર એલાઝારને કહ્યું, “સમગ્ર ઇઝરાયલ પ્રજાની તેમના કુટુંબ પ્રમાણે વીસ કે તેથી વધારે ઉંમરના જે કોઈ લશ્કરમાં ભરતી થવાને પાત્ર હોય તે સર્વની વસતી ગણતરી કર.” તેથી મોઆબના સપાટ મેદાનોમાં યર્દન નદીને સામે કિનારે યરીખો પાસે મોશે અને યજ્ઞકાર એલાઝારે ઇઝરાયલી લોકોને કહ્યું, “પ્રભુએ મોશેને ફરમાવ્યું છે તે પ્રમાણે વીસ કે તેથી વધુ ઉંમરના બધા ઇઝરાયલીઓની વસતી ગણતરી કરો.” ઇજિપ્તમાંથી નીકળી આવેલા ઇઝરાયલીઓ નીચે પ્રમાણે છે. *** ઇઝરાયલના સૌથી મોટા પુત્ર રૂબેનના કુળના કુટુંબો: હનોખનું કુટુંબ, પાલ્લૂનું કુટુંબ, હેસરોનનું કુટુંબ અને કાર્મીઓનું કુટુંબ. રૂબેનના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 43,730ની હતી. પાલ્લૂના વંશજો: એલિયાબ, અને એલિયાબના પુત્રો: નમુએલ, દાથાન તથા અબિરામ. (આ દાથાન અને અબિરામને સમગ્ર સમુદાયે પસંદ કર્યા હતા અને કોરા અને તેના જુથ સાથે ભળી જઈને મોશે અને આરોનની સામા થઈને જેમણે પ્રભુની વિરુધ બળવો કર્યો હતો તે જ તેઓ હતા. તે સમયે ધરતી પોતાનું મોં ઉઘાડી તેમને ગળી ગઈ હતી. તેઓ કોરા અને તેના જૂથ સાથે મરણ પામ્યા હતા. તે સમયે અઢીસો માણસોને અગ્નિ ભરખી ગયો હતો. આ કિસ્સો લોકોને ચેતવણીરૂપ બની ગયો હતો. પણ કોરાનાં બધાં સંતાનો માર્યાં ગયાં નહોતાં.) શિમયોનના કુળનાં કુટુંબો: નમુએલનું કુટુંબ, યામીનનું કુટુંબ, યાખીનનું કુટુંબ, ઝેરાનું કુટુંબ અને શાઉલનું કુટુંબ શિમયોનના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 22,200ની હતી. ગાદના કુળનાં કુટુંબો: સફોનનું કુટુંબ, હાગ્ગીનું કુટુંબ, શૂનીનું કુટુંબ, ઓઝનીનું કુટુંબ, એરીનું કુટુંબ, અરોદનું કુટુંબ અને આરએલીનું કુટુંબ, ગાદના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 40,500ની હતી. યહૂદાના કુળનાં કુટુંબો: શેલાનું કુટુંબ, પેરેસનું કુટુંબ, ઝેરાહનું કુટુંબ, પેરેસના પુત્રો હેસરોનનું કુટુંબ અને હામુલનું કુટુંબ (યહૂદાના બે પુત્રો એર અને ઓનાન કનાનમાં મરણ પામ્યા હતા). *** *** યહૂદાના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 76,500 ની હતી. ઇસ્સાખારના કુળનાં કુટુંબો: તોલાનું કુટુંબ, પૂઆનું કુટુંબ. યાશૂબનું કુટુંબ, શિમ્રોનનું કુટુંબ, ઇસ્સાખારના કુળના આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 64,300ની હતી. ઝબુલૂનના કુળનાં કુટુંબો: સેરેદનું કુટુંબ, એલોનનું કુટુંબ, આહલેએલનું કુટુંબ, ઝબુલૂનના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 60,500ની હતી. યોસેફના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમ તેમનાં કુળ પ્રમાણે: મનાશ્શાના કુળનાં કુટુંબો: માખીરનું કુટુંબ, માખીરનો પુત્ર ગિલ્યાદ હતો. ગિલ્યાદના વંશમાં આટલાં કુટુંબો ગણવામાં આવે છે: ઈએઝેરનું કુટુંબ, હેલકનું કુટુંબ, *** આસરિયેલનું કુટુંબ, શખેમનું કુટુંબ. શમીદાનું કુટુંબ, હેફેરનું કુટુંબ, હેફેરના પુત્ર સલોફહાદને પુત્રો નહોતા. તેને ફક્ત પુત્રીઓ જ હતી. તેમનાં નામ આ પ્રમાણે છે: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા અને તિર્સા. મનાશ્સાના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 52,700ની હતી. એફ્રાઈમના કુળનાં કુટુંબો: શૂથેલાનું કુટુંબ, બેખેરનું કુટુંબ, તાહાનનું કુટુંબ. શૂથેલાના વંશજો: એરાનનું કુટુંબ. એફ્રાઈમના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 32,500ની હતી. આ બધાં યોસેફના કુળનાં કુટુંબો છે. બિન્યામીનના કુળનાં કુટુંબો: બેલાનું કુટુંબ, આશ્બેલનું કુટુંબ, અહિરામનું કુટુંબ. શફૂફામનું કુટુંબ, હૂફામનું કુટુંબ. બેલાને બે પુત્રો હતા: આર્દનું કુટુંબ અને નામાનનું કુટુંબ. બિન્યામીનના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 45,600ની હતી. દાનના કુળનાં કુટુંબો: શૂહામનું કુટુંબ, દાનના કુળમાં આ એક જ કુટુંબ હતું. શૂહામના કુટુંબની કુલ સંખ્યા 64,400ની હતી. આશેરના કુળનાં કુટુંબો: યિમ્નાનું કુટુંબ, ઈશ્વીનું કુટુંબ, બરિયાનું કુટુંબ. બરિયાના પુત્રો: હેબરનું કુટુંબ, અને માલ્કીએલનું કુટુંબ. આશેરની દીકરીનું નામ સેરા હતું. આશેરના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 53,400ની હતી. નાફતાલીના કુળનાં કુટુંબો: યાહસએલનું કુટુંબ, ગૂનીનું કુટુંબ. યેસેરનું કુટુંબ, શિલ્લેમનું કુટુંબ. નાફતાલીના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 45,400ની હતી. નવી ગણતરી પ્રમાણે ઇઝરાયલની કુલ સંખ્યા 6,01,730ની હતી. પ્રભુએ મોશેને કહ્યું, “તમારે બધાં કુળો વચ્ચે દરેક કુળની સંખ્યા પ્રમાણે દેશ વહેંચી આપવાનો છે. દેશના વિભાગો પાડવામાં આવે. જેમની સંખ્યા મોટી છે, તેમને વધારે જમીન આપવાની છે અને જેમની સંખ્યા નાની છે તેમને ઓછી જમીન આપવાની છે. દરેકને નોંધાયેલી સંખ્યા પ્રમાણે જમીન વહેંચવાની છે. જમીનની વહેંચણી પાસા નાખીને કરવામાં આવે. દરેક કુળને તેમના વંશજોની થોડી કે વત્તી સંખ્યા પ્રમાણે પાસા નાખીને જમીન આપવાની છે.” *** *** *** *** લેવીકુળનાં કુટુંબોની ગણતરી થઈ તે આ પ્રમાણે છે: ગેર્શોનનું કુટુંબ, કહાથનું કુટુંબ, મરારીનું કુટુંબ. લેવીઓના બીજા પેટા કુટુંબો આ પ્રમાણે છે: લિબ્નીનું કુટુંબ, હેબ્રોનનું કુટુંબ, માહલીનું કુટુંબ, મુશીનું કુટુંબ, કોરાનું કુટુંબ. કહાથના પુત્રનું નામ આમ્રામ હતું. આમ્રામની પત્નીનું નામ યોખેબેદ હતું. તે લેવીકુળની હતી અને ઇજિપ્તમાં જન્મી હતી. આમ્રામને તેનાથી આરોન, મોશે અને મિર્યામ જન્મ્યાં હતાં. આરોનના પુત્રો આ છે: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઈથામાર. તેમાંથી નાદાબ અને અબીહૂ પ્રભુની સમક્ષ અપવિત્ર અગ્નિ ચડાવવાને લીધે માર્યા ગયા હતા. એક માસ અને તેથી વધારે ઉંમરના લેવીકુળના નર બાળકો નોંધાયા હતા. તેમની કુલ સંખ્યા 23,000 ની હતી. તેમની ગણતરી બીજા ઇઝરાયલીઓ સાથે કરવામાં આવી નહોતી. કારણ, ઇઝરાયલીઓ મધ્યે તેમને કોઈ જમીન મળી નહોતી. મોશે અને એલાઝારે મોઆબના મેદાનોમાં, યર્દન નદીને સામે કિનારે યરીખો પાસે ઇઝરાયલીઓની વસતી ગણતરી કરી ત્યારે આટલાં માણસો નોંધાયા હતા. મોશે અને આરોને સિનાઈના રણપ્રદેશમાં ઇઝરાયલીઓની પ્રથમ વસતી ગણતરી કરી. તેમાંનો કોઈ આ ગણતરીમાં નોંધાયો ન હતો. કારણ, પ્રભુએ તેમને વિષે કહ્યું હતું કે બધા લોકો રણપ્રદેશમાં મરણ પામશે, અને યફૂન્‍નેહના પુત્ર કાલેબ અને નૂનના પુત્ર યહોશુઆ સિવાયના અન્ય બધા મરણ પામ્યા. યોસેફના પુત્ર મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના પુત્ર હેફેરના પુત્ર સલોફહાદને પાંચ દીકરીઓ હતી. તેમનાં નામ આ પ્રમાણે છે: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા અને તિર્સા. તેમણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમગ્ર સમાજ સમક્ષ જઈને કહ્યું, “અમારા પિતા રણપ્રદેશમાં મરણ પામ્યા. તેમને કોઈ પુત્ર નહોતો. કોરાની સાથે પ્રભુની વિરૂધ બળવો કરનાર જૂથમાં તે સામેલ નહોતા. તે તો પોતાને પાપે જ મૃત્યુ પામ્યા. માત્ર પુત્ર ન હોવાને લીધે શા માટે એમનું નામ તેમના કુળમાંથી ભૂંસાઈ જાય? અમારા પિતાનાં સગાં સાથે અમને પણ વારસામાં જમીન આપો.” મોશેએ તેમની માગણી પ્રભુ સમક્ષ રજૂ કરી. અને પ્રભુએ તેને કહ્યું, *** “સલોફહાદની દીકરીઓની માંગણી વાજબી છે. તેમને પણ તેમના પિતાના સગાંઓ સાથે વારસામાં જમીન આપ. એમ તેમને તેમના પિતાનો વારસો મળવા દે. ઇઝરાયલીઓને તું આ પ્રમાણે કહે: “જો કોઈ માણસને પુત્ર ન હોય તો તેનો વારસો તેની દીકરીને મળે. પણ જો તેને દીકરી ન હોય તો તેનો વારસો તેના ભાઈઓને મળે. જો તેને ભાઈઓ ન હોય તો એ વારસો તેના કાકાઓને મળે. જો તેને કાકાઓ ન હોય તો તેનો વારસો તેના સૌથી નિકટના સગાને મળે. તે તેનો માલિક બને. મેં પ્રભુએ મોશેને આપેલી આ આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ આ કાનૂની પ્રબંધ અનુસરવાનો છે.” પ્રભુએ મોશેને કહ્યું, “તું આ અબારીમની પર્વતમાળા ઉપર ચઢી જા અને મેં ઇઝરાયલીઓને આપેલો પ્રદેશ તું જોઈ લે. એ જોયા પછી તારે તારા ભાઈ આરોનની માફક તારા પિતૃઓની સાથે ભળી જવાનું છે. કારણ, સીનના રણપ્રદેશમાં તમે બંનેએ મારી આજ્ઞા વિરુધ વિદ્રોહ કર્યો હતો. જ્યારે મરીબા પાસે સમગ્ર સમાજે મારી વિરુધ ફરિયાદ કરી ત્યારે તેમની સમક્ષ તમે મને પવિત્ર મનાવ્યો નહોતો.” (સીનના રણપ્રદેશમાં કાદેશ પાસે આવેલા મરીબાના ઝરણાની આ વાત છે.) મોશેએ કહ્યું, “હે પ્રભુ, સમસ્ત માનવજીવોના ઈશ્વર, આ સમાજ માટે કોઈ આગેવાન નીમો કે જે તેમને યુદ્ધમાં લાવવા લઈ જવામાં તેમની આગેવાની કરે. *** અને દરેક બાબતમાં તેમને દોરવણી આપે જેથી તમારા લોક પાળક વગરનાં ઘેટાં જેવાં ન થાય.” પ્રભુએ મોશેને કહ્યું, “નૂનના પુત્ર યહોશુઆને બોલાવ. તેનામાં મારો આત્મા છે, તેના માથા પર તારો હાથ મૂક. તું તેને યજ્ઞકાર એલાઝાર અને સમગ્ર સમાજ સમક્ષ ઊભો રાખ. ત્યાં સૌના દેખતાં તારા અનુગામી તરીકે તેને નિમણૂંક આપ. તારો કેટલોક અધિકાર તેને સોંપ જેથી ઇઝરાયલનો સમગ્ર સમાજ તેને આધીન રહે. તેણે ઈશ્વરની ઇચ્છા જાણવા માટે યજ્ઞકાર એલાઝાર પાસે જવું પડશે; જે પ્રભુ સમક્ષ ઉરીમના ચુકાદા વડે તેનો નિર્ણય મેળવશે. આ રીતે એલાઝાર યહોશુઆને અને સમગ્ર ઇઝરાયલી સમાજને દરેક બાબતમાં દોરવણી આપશે. યુધમાં જવા વિષે અને યુધમાંથી પાછા ફરવા વિષે તે સમગ્ર ઇઝરાયલી સમાજને આજ્ઞા કરશે.” મોશેએ પ્રભુના કહેવા પ્રમાણે કર્યું. તેણે યહોશુઆને બોલાવ્યો અને તેને એલાઝાર તથા સમગ્ર સમાજ સમક્ષ રજૂ કર્યો. અને જેમ પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેને માથે હાથ મૂકીને તેને પોતાના અનુગામી તરીકે નીમ્યો. પ્રભુએ મોશેને કહ્યું, ઇઝરાયલીઓને આ પ્રમાણે આજ્ઞા કર: “જેની સુવાસથી હું પ્રસન્‍ન થાઉં છું એ મારાં ધાન્યઅર્પણ મને નિયત સમયે અગ્નિબલિ સાથે અર્પવાની તમે કાળજી રાખો. *** વળી, તેમને કહે કે, તમારે પ્રભુને આવા અગ્નિબલિનું અર્પણ કરવું: કોઈ પણ જાતની ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના બે નર હલવાન દિન પ્રતિદિન હંમેશા ચડાવવા. એક હલવાનનું સવારે અને બીજા હલવાનનું સાંજે અર્પણ કરવું. તેની સાથે એક લિટર ઉત્તમ પ્રકારના તેલથી મોહેલા એક કિલોગ્રામ લોટનું ધાન્યઅર્પણ કરવું. એ તો આહ્લાદક સુવાસ માટે અગ્નિમાં દહન કરીને પ્રભુને ચડાવવાનો દરરોજનો દહનબલિ છે, જે સિનાઇ પર્વત પર ઠરાવાયો હતો. દ્રાક્ષાસવ અર્પણ તરીકે દરેક હલવાન સાથે એક લિટર કેફી આસવ પ્રભુને માટે પવિત્રસ્થળે રેડવો. બીજા હલવાનનું અર્પણ સાંજે કરવું અને તેની સાથે સવારના જેવા જ ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં. એ પ્રભુને પ્રસન્‍ન કરવા માટે સુવાસિત અગ્નિબલિ છે. “સાબ્બાથદિને તમારે ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના બે નર હલવાન અને ધાન્યઅર્પણ તરીકે બે કિલોગ્રામ તેલથી મોહેલો લોટ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં. દર સાબ્બાથદિને આ દહનબલિ દરરોજના દહનબલિ ઉપરાંત તેના દ્રાક્ષાસવઅર્પણ સાથે અર્પવાનો છે. “દર મહિનાને પ્રથમ દિવસે તમારે પ્રભુને બે વાછરડા, એક ઘેટો, ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત હલવાન દહનબલિમાં અર્પવાં. ધાન્યઅર્પણ આ પ્રમાણે લેવું: ધાન્યઅર્પણમાં વાછરડા દીઠ તેલથી મોહેલો આશરે ત્રણ કિલોગ્રામ લોટ, અને ઘેટા માટે આશરે ત્રણ કિલોગ્રામ મોહેલો લોટ લેવો. દરેક હલવાન સાથે એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ અર્પણ કરવો. આ દહનબલિ તો પ્રભુને માટે સુવાસિત અગ્નિબલિ છે. તેની સાથે દરેક વાછરડા દીઠ બે લિટર દ્રાક્ષાસવ, બકરા માટે સવા લિટર દ્રાક્ષાસવ અને દરેક ઘેટા દીઠ એક લિટર દ્રાક્ષાસવનું પેયાર્પણ કરવું. આ દહનબલિ દર મહિનાને પ્રથમ દિવસે વર્ષના બારે માસ અર્પવાનો છે. દરરોજના દહનબલિ અને તેની સાથેના દ્રાક્ષાસવ અર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતના બલિ તરીકે પ્રભુને એક બકરાનો બલિ પણ ચડાવવો. “પ્રથમ મહિનાનો ચૌદમો દિવસ પ્રભુના પાસ્ખાપર્વનો દિવસ છે. તે મહિનાના પંદરમે દિવસે ઉજવણીની શરૂઆત થાય છે અને આ પર્વ સાત દિવસ સુધી ચાલે છે. તે દરમિયાન તમારે ખમીરરહિત રોટલી ખાવી. પ્રથમ દિવસે તમારે પવિત્ર ભક્તિસંમેલન રાખવું અને તે દિવસે અન્ય રોજિંદું કામ કરવું નહિ. તમારે પ્રભુને દહનબલિમાં બે વાછરડા, એક ઘેટો અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત નર હલવાન અગ્નિબલિ તરીકે ચડાવવા. એ સાથે વાછરડા દીઠ ત્રણ કિલોગ્રામ તેલથી મોહેલો લોટ, ઘેટા સાથે બે કિલોગ્રામ મોહેલો લોટ અને દરેક હલવાન દીઠ એક કિલોગ્રામ મોહેલો લોટ ચડાવવો. એ ઉપરાંત તમારા પ્રાયશ્ર્વિત માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું અર્પણ કરવું. દરરોજના સવારના દહનબલિ ઉપરાંત આ બલિ ચડાવવાના છે. એ જ પ્રમાણે સાત દિવસ સુધી દરરોજ તમારે પ્રભુને પ્રસન્‍ન કરનાર સુવાસયુક્ત અગ્નિબલિ આહાર તરીકે ચડાવવા. દરરોજના દહનબલિ અને તેની સાથેના દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત એનું અર્પણ કરવાનું છે. સાતમે દિવસે તમારે પવિત્ર ભક્તિસંમેલન ભરવું અને તે દિવસે અન્ય રોજિંદું કામ ન કરવું. “કાપણીના પર્વના પ્રથમ દિવસે જ્યારે તમે તમારા સાપ્તાહિક ઉત્સવમાં પાકેલું નવું અનાજ પ્રભુને અર્પણ કરો ત્યારે તમારે પવિત્ર સંમેલન રાખવું. તે દિવસે અન્ય રોજિંદું કામ કરવું નહિ. તે દિવસે તમારે પ્રભુને સુવાસિત દહનબલિ તરીકે બે વાછરડા, એક ઘેટો અને એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચડાવવાં. તેની સાથે દરેક વાછરડા દીઠ ત્રણ કિલોગ્રામ, ઘેટાં સાથે બે કિલોગ્રામ અને દરેક નર હલવાન દીઠ એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ ચડાવવો. એ ઉપરાંત તમારું પ્રાયશ્ર્વિત કરવા માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું અર્પણ કરવું. દરરોજના દહનબલિ અને તેની સાથેના ધાન્યઅર્પણ ઉપરાંત એ અર્પણો તમારે દ્રાક્ષાસવઅર્પણ સાથે ચડાવવાનાં છે. અલબત્ત, પ્રાણી ખોડખાંપણ વગરનાં હોય તેની ચોક્સાઈ રાખવી. “સાતમા મહિનાને પ્રથમ દિવસે ભક્તિ માટે તમારે ભક્તિસંમેલન રાખવું અને અન્ય રોજિંદું કામ કરવું નહિ. તે દિવસે તમારે રણશિંગડાં વગાડવાં. પ્રભુને સુવાસિત અર્પણ તરીકે દહનબલિ અર્પણ કરવું. એક વાછરડો, એક ઘેટો અને ખોડખાંપણ વગરના એક વર્ષના સાત નર હલવાન ચડાવવાં. ધાન્ય-અર્પણ તરીકે વાછરડા સાથે ત્રણ કિલોગ્રામ, ઘેટા સાથે બે કિલોગ્રામ અને હલવાન દીઠ એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ ચડાવવો. એ ઉપરાંત તમારું પ્રાયશ્ર્વિત કરવા માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું અર્પણ કરવું. આ બધું પ્રતિમાસનાં દહનબલિ અને તેમનું ધાન્યઅર્પણ તથા દરરોજનાં દહનબલિ, ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંતનાં છે. અગ્નિબલિના આ ધાન્યઅર્પણની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. “સાતમા મહિનાના દસમે દિવસે તમારે ભક્તિસંમેલન રાખવું. તે દિવસે તમારે ઉપવાસ કરવો અને અન્ય રોજિંદું કામ કરવું નહિ. સુવાસિત દહનબલિ તરીકે તમારે પ્રભુને એક વાછરડો, એક બકરો અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત ઘેટા ચડાવવા. એ ઉપરાંત તમારે વાછરડા સાથે ત્રણ કિલોગ્રામ, બકરા સાથે બે કિલોગ્રામ અને દરેક ઘેટા દીઠ એક કિલોગ્રામ તેલથી મોહેલો લોટ ચડાવવો. તમારે પ્રાયશ્ર્વિત માટે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. પ્રાયશ્ર્વિત બલિ અને દરરોજના દહનબલિ અને તેની સાથેના ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંતનાં એ અર્પણ છે. “સાતમા મહિનાના પંદરમે દિવસે તમારે પવિત્ર ભક્તિસંમેલન ભરવું, સાત દિવસ સુધી તમારે પ્રભુનું પર્વ પાળવું અને અન્ય રોજિંદું કામ કરવું નહિ. પર્વના પ્રથમ દિવસે પ્રભુને પ્રસન્‍ન કરવા સુવાસિત અર્પણ તરીકે તેર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા. તેની સાથે વાછરડા દીઠ ત્રણ કિલોગ્રામ, બકરા દીઠ બે કિલોગ્રામ અને ઘેટા દીઠ એક કિલો તેલથી મોહેલો લોટ ધાન્યઅર્પણ તરીકે ચડાવવો. વળી, પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. આ બધું દરરોજના દહનબલિ, ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવ- અર્પણ ઉપરાંત ચડાવવાનું છે. “બીજે દિવસે બાર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા. તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં. વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. “ત્રીજે દિવસે અગિયાર વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા. તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં. વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. “ચોથે દિવસે દસ વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા. તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં. વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. “પાંચમે દિવસે નવ વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા. તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં. વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. “છઠ્ઠે દિવસે આઠ વાછરડા, બે ઘેટા, અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા. તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં. વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. “સાતમે દિવસે સાત વાછરડા, બે ઘેટા અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના ચૌદ નર હલવાન ચડાવવા. તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં. વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. “આઠમે દિવસે ભક્તિસંમેલનની સમાપ્તિ કરવી. તે દિવસે તમારે અન્ય રોજિંદું કામ કરવું નહિ. પ્રભુને સુવાસિત દહનબલિ અગ્નિબલિ તરીકે ચડાવવો. એક આખલો, એક બકરો અને ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના સાત નર હલવાન ચડાવવા. તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં. વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિત બલિ તરીકે એક બકરો ચડાવવો. “તમારાં નક્કી કરેલાં પર્વોએ તમારે પ્રભુને આ પ્રમાણે બલિ ચડાવવાના છે. આ બધું તમારે દહનબલિ, ધાન્યઅર્પણ, દ્રાક્ષાસવઅર્પણ, સંગતબલિ તથા માનતા અને સ્વૈચ્છિક અર્પણ ઉપરાંત ચડાવવાનાં છે.” તેથી મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે બધું જ ઇઝરાયલીઓને કહી સંભળાવ્યું. મોશેએ ઇઝરાયલીઓના કુળના આગેવાનોને કહ્યું, “પ્રભુની આજ્ઞા આ પ્રમાણે છે: જો કોઈ માણસ પ્રભુને માટે સ્વેચ્છાપૂર્વક કંઈક કરવાની માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાનું વચન આપે તો તેણે તે વચન તોડવું નહિ, પણ આપેલું વચન પાળવું. જો કોઈ યુવતી હજી પોતાના પિતાને ઘેર જ રહેતી હોય ત્યારે સ્વેચ્છાથી પ્રભુ માટે કંઈક આપવાની માનતા લે કે કોઈ વસ્તુ છોડી દેવાનું વચન આપે, અને તેના પિતાને જાણ થાય, પણ તે તેને મના કરે નહિ, તો તેણે પોતાનું વચન તોડવું નહિ, પણ આપેલું વચન પાળવું. તેને માટે તે માનતા બંધનર્ક્તા છે. પણ જો તેના પિતાને માનતાની ખબર પડે અને તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તે તેને માટે બંધનર્ક્તા ગણાશે નહિ. તેના પિતાએ તેને પૂર્ણ કરવાની મના કરી હોવાથી તે બંધનર્ક્તા નથી અને પ્રભુ તેને ક્ષમા કરશે. “જો કોઈ કુંવારી સ્ત્રી માનતા રાખે અને પૂરતો વિચાર કર્યા વગર કોઈ વસ્તુ છોડી દેવાની માનતા લે અને પછી લગ્ન કરે અને તેની માનતાની જાણ તેના પતિને થાય પણ તે તેને કશું કહે નહિ તો તેણે પોતાની માનતા તોડવી નહિ, પણ તે લીધેલી માનતા તેણે પૂરી કરવી. પણ જો તેની માનતાની જાણ તેના પતિને થાય અને તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તેની માનતા રદ થઈ જાય અને પ્રભુ તેને ક્ષમા કરશે. “જો કોઈ વિધવા અથવા લગ્ન વિચ્છેદ થયેલી સ્ત્રી માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા લે તો તે બધું જ તેને બંધનર્ક્તા છે. “જો કોઈ પરણેલી સ્ત્રી સાસરે આવ્યા પછી માનતા રાખે અથવા કોઈ વસ્તુ ન લેવાની બાધા રાખે, અને તેની માનતાની જાણ તેના પતિને થાય પણ તે તેને કશું કહે નહિ તો તેણે પોતાની માનતા તોડવી નહિ, પણ લીધેલી માનતા પૂર્ણ કરવી. પણ જો તેની માનતાની જાણ તેના પતિને થાય તે જ વખતે તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તે તેને બંધનર્ક્તા નથી. તેના પતિએ તેને રદ કરી હોવાથી પ્રભુ તેને ક્ષમા કરશે. પત્નીની કોઈપણ માનતાને અથવા દેહદમન માટે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતાને પતિ મંજૂર કે રદ કરી શકે છે. જો તેની માનતાની જાણ પતિને થાય તે જ સમયે તે વિષે તે તેને કશું ન કહે તો પત્નીએ તેની માનતા અથવા બાધાને પૂર્ણ કરવી. કારણ, પતિએ તે મંજૂર રાખી છે. પરંતુ જો જાણ થયા પછી થોડા સમય બાદ પતિ માનતા રદ કરે તો તેના ભંગનો દોષ પતિને લાગે.” પતિ અને પત્ની વિષે તથા પિતા અને તેના ઘરમાં રહેતી કુંવારી પુત્રી વિષે પ્રભુએ મોશેને આ નિયમો ફરમાવ્યા હતા. પ્રભુએ મોશેને કહ્યું, “મિદ્યાનીઓએ ઇઝરાયલીઓ પર લાવેલી આપત્તિનો તારે બદલો લેવાનો છે, અને તે પછી તું મૃત્યુ પામીશ.” *** તેથી મોશેએ લોકોને કહ્યું, “તમારામાંથી કેટલાક જુવાનોને યુદ્ધ માટે શસ્ત્રસજ્જ કરો કે તેઓ મિદ્યાનીઓ પર આક્રમણ કરે અને પ્રભુ પ્રત્યેના તેમના વર્તનનું વેર વાળે. ઇઝરાયલના પ્રત્યેક કુળમાંથી હજાર સૈનિકોની એક ટુકડી યુધમાં મોકલો.” તેથી દરેક કુળમાંથી એક હજાર પુરુષોને પસંદ કરવામાં આવ્યા. કુલ બાર હજાર શસ્ત્રસજ્જ પુરુષો યુધને માટે હાજર થયા. મોશેએ તેમને યુધ કરવાને મોકલી આપ્યા અને યજ્ઞકાર એલાઝારનો પુત્ર ફિનહાસ પવિત્રસ્થાનનાં પાત્રો અને યુધનાદ પોકારવાનાં રણશિંગડા લઈને તેમની સાથે ગયો. પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેમણે મિદ્યાનીઓ પર આક્રમણ કર્યું અને તેમના બધા પુરુષોને મારી નાખ્યા. યુધમાં માર્યા ગયેલાઓમાં એવી, રેકેમ, સૂર, હુર અને રેબા એ મિદ્યાનના પાંચ રાજાઓ પણ હતા. વળી, તેમણે બયોરના પુત્ર બલામને પણ તલવારથી મારી નાખ્યો. ઇઝરાયલીઓએ મિદ્યાની સ્ત્રીઓને અને બાળકોને કેદ પકડી લીધાં અને તેમનાં બધાં ઢોર, ઘેટાંબકરાં અને બધી માલમિલક્ત લૂંટી લીધાં. તેમણે તેમનાં વસવાટનાં બધાં નગરો અને પડાવોને અગ્નિથી બાળી નાખ્યાં. ત્યાર પછી તેઓ તેમની બધી લૂંટ અને કબજે કરેલાં બધા પ્રાણીઓ અને કેદીઓને યરીખોની સામે, યર્દન નદીને કિનારે મોઆબના મેદાનમાં આવેલા પોતાના પડાવમાં મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમગ્ર ઇઝરાયલી સમાજ સમક્ષ લઈ આવ્યા. મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમાજના બધા આગેવાનો તેમને મળવાને માટે પડાવની બહાર ગયા. યુધમાંથી પાછા ફરેલા લશ્કરના સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ પર મોશે ખૂબ જ ગુસ્સે થયો હતો. તેણે તેમને પૂછયું, “શા માટે તમે આ બધી સ્ત્રીઓને જીવતી રાખી છે?” પયોર ખાતે બલામની સલાહથી આવી વિધર્મી સ્ત્રીઓએ જ ઇઝરાયલી લોકોને પ્રભુ પ્રત્યે બેવફા બનાવ્યા હતા, અને તેથી પ્રભુની જમાતમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. આથી એમનાં બધાં નરસંતાનોને મારી નાખો અને પુરુષ સાથે દેહસમાગમ કર્યો હોય એવી બધી જ સ્ત્રીઓને પણ મારી નાખો. પણ તમારે માટે બધી છોકરીઓ અને કુંવારી યુવતીઓને જીવતી રાખો. તમારામાંના કોઈએ કોઈ માણસને મારી નાખ્યો હોય અથવા મૃતદેહનો સ્પર્શ કર્યો હયો તો તેણે સાત દિવસ સુધી પડાવ બહાર રહેવું. તમારે અને તમારી બંદીવાન સ્ત્રીઓએ ત્રીજે અને સાતમે દિવસે શુધિકરણનો વિધિ કરવો. તમારાં બધાં કપડાંનું તથા ચામડાની, બકરાના વાળની કે લાકડાની બનાવેલી બધી ચીજવસ્તુઓનું શુધિકરણ કરવું.” યજ્ઞકાર એલાઝારે યુધમાંથી પાછા ફરેલા સૈનિકોને કહ્યું, “પ્રભુએ મોશે મારફત ફરમાવેલો નિયમ આ છે: “અગ્નિમાં સળગી ન જાય તેવી સોનું, ચાંદી, તાંબું, લોખંડ, કલાઈ કે સીસુની વસ્તુઓ અગ્નિમાં પસાર કરીને શુધ કરવી; બાકીની બધી વસ્તુઓને પાણી છાંટી શુધ કરવી. અગ્નિથી બળી જાય એવી વસ્તુઓને પાણીથી શુધ કરવી. *** સાતમે દિવસે તમારે તમારાં કપડાં ધોઈ નાખવાં, એટલે તમે વિધિ પ્રમાણે શુધ થશો અને પછી તમને પડાવમાં પ્રવેશ કરવાની પરવાનગી મળશે.” પ્રભુએ મોશેને કહ્યું, “તું, એલાઝાર અને સમાજના કુટુંબવાર આગેવાનો સાથે મળીને કેદીઓ, પ્રાણીઓ અને બધી લૂંટની ગણતરી કરો. *** પછી લૂંટના બે સરખા ભાગ પાડો. એક ભાગ સૈનિકોને આપવામાં આવે અને બાકીનો ભાગ સમગ્ર સમાજને વહેંચવામાં આવે. સૈનિકોના ભાગમાંથી પ્રભુને માટે કર લેવામાં આવે. કેદીઓ, બળદો, ગધેડાં, ઘેટાં અને બકરાં પૈકી દર પાંચસોએ એક એ પ્રમાણે પ્રભુને આપવામાં આવે. સૈનિકોના અર્ધ ભાગમાંથી પ્રભુને માટે ઉચ્છાલિતઅર્પણ તરીકે તે યજ્ઞકાર એલાઝારને આપી દો. તે જ પ્રમાણે ઇઝરાયલીઓના ભાગમાંથી કેદીઓ, બળદો, ગધેડાં, ઘેટાં અને બકરાં પૈકી દર પચાસે એક એ પ્રમાણે લઈને પ્રભુના મુલાકાતમંડપની સંભાળ રાખનાર લેવીઓને આપે.” મોશે અને એલાઝારે પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું. પોતે રાખી લીધેલી ચીજવસ્તુઓ સિવાયની જે લૂંટ સૈનિકો લાવ્યા તેની વિગતો નીચે પ્રમાણે છે: 6,75,000 ઘેટાં અને બકરાં, 72,000 ઢોર, 61,000 ગધેડાં અને 32,000 કુમારિકાઓ. *** *** *** સૈનિકોનો અર્ધો ભાગ આ પ્રમાણે હતો: 3,37,500 ઘેટાં અને બકરાં; તેમાંથી પ્રભુનો ભાગ 675, 36,000 ઢોર; તેમાંથી પ્રભુનો ભાગ 72, 30,500 ગધેડાં; તેમાંથી પ્રભુનો ભાગ 61 અને 16,000 કુમારિકાઓ; તેમાંથી પ્રભુનો ભાગ 32. *** *** *** *** પ્રભુએ ફરમાવ્યા પ્રમાણે મોશેએ પ્રભુના ઉચ્છાલિતઅર્પણ તરીકેનો ભાગ યજ્ઞકાર એલાઝારને આપી દીધો. બાકીના ઇઝરાયલીઓને મળેલો ભાગ જે સૈનિકોના ભાગમાંથી મોશેએ અલગ કર્યો હતો તે આ પ્રમાણે હતો:3,37,500 ઘેટાં અને બકરાં, 36,000 ઢોર, 30,500 ગધેડાં અને 16,000 કુમારિકાઓ. *** *** *** *** ઇઝરાયલીઓએ આ અર્ધા ભાગમાંથી કેદીઓ અને પ્રાણીઓ પૈકી દર પચાસે એક એ પ્રમાણે લઈને પ્રભુની આજ્ઞા પ્રમાણે પ્રભુના મંડપની સંભાળ રાખનાર લેવીઓને આપ્યાં. ત્યાર પછી સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ મોશેની પાસે આવ્યા. તેમણે મોશેને કહ્યું, “અમે અમારા તાબાના દરેક માણસની ગણતરી કરી છે અને તેમાંથી એકપણ માણસ ખૂટતો નથી. આથી અમે અમને મળેલાં સોનાનાં કડાં, બંગડીઓ, વીંટીઓ, કુંડળો અને હારો અમારા પ્રાણ બચાવવા બદલ મુક્તિમૂલ્ય રૂપે પ્રભુને અર્પણ તરીકે લાવ્યા છીએ; જેથી તે અમારી રક્ષા કરે.” મોશેએ અને યજ્ઞકાર એલાઝારે તેમની પાસેથી આ દાગીનાઓ સ્વીકારી લીધા. સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓએ પ્રભુને ઉચ્છાલિતઅર્પણ તરીકે અર્પેલા આ સોનાનું કુલ વજન આશરે બસો કિલોગ્રામ હતું. (કેમકે દરેક સૈનિકને પોતપોતાની લૂંટ મળી હતી.) પછી મોશે અને યજ્ઞકાર એલાઝાર સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ, અને શતાધિપતિઓ પાસેથી મળેલું સોનું સ્વીકારી લઈને મુલાકાતમંડપમાં લઈ આવ્યા; જેથી પ્રભુ ઇઝરાયલને યાદ રાખે અને તેમની રક્ષા કરે. રૂબેન અને ગાદનાં કુળો પાસે પુષ્કળ ઢોરઢાંક હતાં. તેમણે જોયું કે યાઝેર અને ગિલ્યાદનો પ્રદેશ ઢોર ઉછેર માટે ખૂબ જ અનુકૂળ છે. તેથી તેમણે મોશે, એલાઝાર અને સમાજના આગેવાનો પાસે જઈને કહ્યું, “ઇઝરાયલીઓએ પ્રભુની મદદથી કબજે કરેલો અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રા, હેશ્બોન, એલઆલેહ, સબામ તથા નબો અને બેઓન નગરોનો પ્રદેશ ઢોરઉછેર માટે ખૂબ જ અનુકૂળ છે અને તમારા આ સેવકોની પાસે પુષ્કળ ઢોર છે. *** કૃપા કરીને આ પ્રદેશ અમને વતન તરીકે આપો અને યર્દનને પેલે પાર જવાની ફરજ પાડશો નહિ.” મોશેએ ગાદ અને રૂબેનના કુળના લોકોને કહ્યું, “તમારા ઇઝરાયલી ભાઈઓ યુધમાં લડવા જાય ત્યારે તમે અહીં બેસી રહેશો? પ્રભુએ ઇઝરાયલીઓને વચનનો દેશ આપેલો છે અને તેઓ યર્દન ઓળંગીને તેમાં પ્રવેશ કરવાના છે. ત્યારે તમે તેમનાં મન કેમ નિરાશ કરવા માંગો છો? મેં તમારા પૂર્વજોને કાદેશ-બાર્નિયાથી દેશની તપાસ કરવા મોકલ્યા ત્યારે તેમણે પણ આવું જ કર્યું હતું. તેઓએ એશ્કોલની ખીણ સુધી જઈને દેશની તપાસ કરી, પણ પાછા આવીને તેમણે ઇઝરાયલીઓનાં મન નિરાશ કરી નાખ્યાં, અને તેમને પ્રભુએ આપેલા દેશમાં જતા રોકયા. તેથી તે દિવસે પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો અને તેમણે સમ ખાઈને કહ્યું, ‘સાચે જ મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાનું વચન આપ્યું હતું, તેમાં આ લોકોમાંથી વીસ વર્ષ અને તેની ઉપરની ઉંમરનો કોઈ પ્રવેશ કરવા પામશે નહિ; કારણ, તેઓ મને હૃદયની નિષ્ઠાથી અનુસર્યા નથી. માત્ર કનિઝ્ઝી યફુન્‍નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ જ તેમાં પ્રવેશશે; કારણ, તેઓ પ્રભુને હૃદયની પૂરી નિષ્ઠાથી અનુસર્યા હતા. પ્રભુનો કોપ ઇઝરાયલીઓ ઉપર સળગી ઊઠયો અને પ્રભુને નાખુશ કરનારી એ આખી પેઢીનો નાશ થયો ત્યાં સુધી ચાલીસ વર્ષ તેમને વેરાનપ્રદેશમાં રઝળપાટ કરાવી. હવે ઓ ભૂંડાઓનાં સંતાન, તમે તમારા પૂર્વજોને અનુસરીને ઇઝરાયલીઓ પર ફરીથી પ્રભુનો કોપ ઉતારવા માગો છો? જો તમે હવે પ્રભુને અનુસરવાનું મૂકી દેશો તો આ બધાંને તે રણપ્રદેશમાં તજી દેશે અને તમે તેમના વિનાશનું નિમિત્ત બનશો.” તેઓ મોશેની પાસે આવ્યા અને કહ્યું, “પ્રથમ અમને અમારાં ઘેટાંબકરાં માટે વાડા બાંધવા દો અને અમારાં સંતાનોને માટે કિલ્લાવાળાં નગરો બાંધવા દો. ત્યાર પછી અમે શસ્ત્રસજ્જ થઈને અમારા સાથી ઇઝરાયલીઓ સાથે જઈશું અને તેમને તેમના મળનાર વતનમાં ઠરીઠામ ન કરીએ ત્યાં સુધી આક્રમણમાં મોખરે રહીશું. તે દરમિયાન અમારા સંતાનો આ દેશના મૂળવતનીઓના હુમલાઓથી કિલ્લાવાળાં નગરોમાં સુરક્ષિત રહી શકશે. પ્રત્યેક ઇઝરાયલીને પોતાના ભાગની જમીનનો વારસો ન મળે ત્યાં સુધી અમે પાછા નહિ ફરીએ. અમે યર્દનની પેલે પારના પ્રદેશમાં તેમની સાથે કોઈ વારસો માંગીશું નહિ. કારણ, અહીં યર્દનને પૂર્વ કિનારે અમને વારસો મળી ચૂક્યો છે.” મોશેએ કહ્યું, “તમારું કહેવું સાચું જ હોય તો પછી પ્રભુ સમક્ષ શસ્ત્રસજ્જ થઈ યુધમાં લડવા જાઓ. તમારામાંના બધા જ શસ્ત્રસજ્જ પુરુષો યર્દન ઓળંગીને સામે પાર પ્રભુની આગેવાની નીચે લડવાને ચાલ્યા જાઓ અને પ્રભુ દુશ્મનોને હાંકી કાઢે અને દેશનો કબજો લે ત્યાં સુધી ત્યાં રહો. ત્યાર પછી તમે પાછા આવી શકશો. કારણ, તમે પ્રભુ અને તમારા ઇઝરાયલી લોકો પ્રત્યેની જવાબદારી અદા કરી ગણાશે અને પ્રભુ સમક્ષ યર્દનની પૂર્વનો આ પ્રદેશ તમારી માલિકીનો થશે. પણ જો તમે તમારું વચન નહિ પાળો તો તમે પ્રભુની વિરૂધ પાપ કર્યું ગણાશે અને તમારું પાપ તમને જરૂર પકડી પાડશે. તો તમારા સંતાનોને માટે નગર બાંધો અને તમારા ઘેટાંબકરાં માટે વાડા બાંધો, પણ તમારું આપેલું વચન પાળજો.” ગાદ અને રૂબેનના કુળના લોકોએ કહ્યું, “ સ્વામી, તમારા આ સેવકો આપના કહ્યા પ્રમાણે કરશે. અમારાં બાળકો અને સ્ત્રીઓ તથા ઘેટાંબકરાં અને બધાં ઢોર અહીં ગિલ્યાદનાં નગરોમાં રહેશે. પણ અમે શસ્ત્રસજ્જ થઈને તમારા કહેવા પ્રમાણે પ્રભુની સમક્ષ યર્દન ઓળંગીને લડવા જઈશું.” તેથી મોશેએ યજ્ઞકાર એલાઝાર, નૂનના પુત્ર યહોશુઆ અને ઇઝરાયલના કુળોના કુટુંબના બીજા આગેવાનોને કહ્યું, “જો ગાદ અને રૂબેન કુળના લોકો શસ્ત્રસજ્જ થઈને યર્દન ઓળંગીને પ્રભુ સમક્ષ લડવાને તમારી સાથે આવે અને જો તે દેશનો કબજો તમને મળે તો તમારે તેમને ગિલ્યાદનો પ્રદેશ વતન તરીકે આપવો. પણ જો તેઓ શસ્ત્રસજ્જ થઈને યર્દન ઓળંગી તમારી સાથે ન આવે તો તેમને તમારી સાથે જ કનાન દેશમાં ભાગ આપવો.” ગાદ અને રૂબેન કુળના લોકોએ કહ્યું, “સ્વામી, પ્રભુના ફરમાવ્યા પ્રમાણે અમે કરીશું. અમે શસ્ત્રસજ્જ થઈને પ્રભુ સમક્ષ યર્દન ઓળંગીને કનાન દેશમાં જઈશું. જેથી અમને યર્દન નદીના પૂર્વકાંઠાનો આ ભાગ વારસા તરીકે મળે.” તેથી મોશેએ ગાદ અને રૂબેનના કુળોને તથા યોસેફના પુત્ર મનાશ્શાના અર્ધા કુળને અમોરીઓના રાજા સિહોનનું રાજ્ય અને બાશાનના રાજા ઓગનું રાજ્ય એટલે તેમનો આખો પ્રદેશ, તેનાં નગરો, આસપાસની જમીન સાથે વારસામાં આપી દીધો. ગાદના કુળના લોકોએ દિબોન, અશરાય, અરોએર આટ્રોથ-શોફાન, યાઝેર, યોગ્બાહ, બેથ-નિમ્રા અને બેથ-હારાનના કિલ્લાંવાળા નગરો ફરીથી બાંયા અને ઘેટાંબકરાંને માટે વાડાઓ બાંયા. રૂબેનના કુળના લોકોએ હેશ્બોન, એલઆલે, કિર્યાથાઈમ, નબો, બઆલ-મેઓન (આ નામ બદલવામાં આવ્યું હતું.) અને સિબ્મા ફરીથી બાંધ્યાં અને તેમણે પુન: બાંધેલાં નગરોને નવાં નામ આપ્યાં. મનાશ્શાના પુત્ર માખીરના ગોત્રના લોકોએ ગિલ્યાદના પ્રદેશને આક્રમણ કરીને જીતી લીધો. ત્યાં વસતા અમોરીઓને તેમણે હાંકી કાઢયા. તેથી મોશેએ મનાશ્શાના પુત્ર માખીરના ગોત્રને ગિલ્યાદનો પ્રદેશ વારસામાં આપ્યો અને તેઓ તેમાં વસ્યા. મનાશ્શાના પુત્ર યાઈરના ગોત્રના લોકોએ આક્રમણ કરી કેટલાંક તંબૂવાળાં ગામડાં કબજે કરી લીધાં. તેમણે તે પ્રદેશનું નામ “યાઈરનાં ગામડાં” એવું પાડયું. અને નોબાહે કનાથ અને તેનાં ગામડાં પર આક્રમણ કરી જીતી લીધાં અને પોતાના નામ પરથી તે પ્રદેશનું નામ નોબાહ પાડયું. મોશે અને આરોનની આગેવાની નીચે ઇજિપ્તમાંથી નીકળ્યા પછી ઇઝરાયલીઓએ તેમની મુસાફરીમાં જે જે ઠેકાણે પડાવ નાખ્યો તેની યાદી નીચે મુજબ છે. મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે મુસાફરીમાં પ્રત્યેક પડાવના સ્થળનાં નામ નોંધી લીધાં હતાં, જે આ પ્રમાણે છે: ઇઝરાયલીઓ પ્રથમ મહિનાને પંદરમે દિવસે ઈજિપ્તમાં રામસેસથી ચાલી નીકળ્યા. પ્રથમ પાસ્ખાપર્વ પછીના દિવસે બધા ઈજિપ્તીઓના દેખતાં તેઓ નીડરપણે ચાલી નીકળ્યા. તે વખતે ઈજિપ્તીઓ પ્રભુએ મારી નાખેલા તેમના પ્રથમજનિત સંતાનોને દફનાવતા હતા. આમ, પ્રભુએ ઈજિપ્તના દેવો કરતાં પોતે શક્તિશાળી છે તે પુરવાર કર્યું હતું. ઇઝરાયલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં પડાવ નાખ્યો. ત્યાર પછી સુક્કોથથી નીકળી તેમણે રણપ્રદેશને કિનારે આવેલા એથામમાં મુકામ કર્યો. એથામથી નીકળીને પાછા બઆલ-સફોનની પૂર્વે આવેલા પીહાહીરોથમાં આવ્યા અને ત્યાં તેમણે મિગ્દોલની સામે મુકામ કર્યો. તેઓ પીહાહીરોથથી નીકળ્યા અને સમુદ્રમાં થઈ રણપ્રદેશમાં પહોંચ્યા. પછી એથામના રણપ્રદેશમાં ત્રણ દિવસની મજલ કાપી તેમણે મારામાં પડાવ નાખ્યો. મારાથી નીકળી તેઓ એલીમ આવ્યા. ત્યાં પાણીના બાર ઝરણાં અને ખજૂરીનાં સિત્તેર વૃક્ષ હતાં. ત્યાં તેમણે પડાવ નાખ્યો. એલીમથી નીકળીને તેમણે સૂફ સમુદ્ર પાસે મુકામ કર્યો. સૂફ સમુદ્રથી નીકળીને તેમણે સીનના રણપ્રદેશમાં મુકામ કર્યો,. સીનના રણપ્રદેશમાંથી નીકળીને તેમણે દોફ્ફામાં પડાવ નાખ્યો. દોફ્ફાથી નીકળીને તેમણે આલૂશમાં મુકામ કર્યો. આલૂશથી નીકળીને તેમણે રફીદીમમાં પડાવ નાખ્યો. આ જગ્યાએ તેમને માટે પીવાને પાણી ન હતું. *** રફીદીમથી હોર પર્વત જતાં સુધી તેમણે નીચેનાં સ્થળોએ પડાવ નાખ્યો: સિનાઈનો રણપ્રદેશ, કિબ્રોથ-હાત્તાવાહ, હસેરોથ, રિથ્મા, રિમ્મોન-પેરેસ, લિબ્ના, રિસ્સા, કહેલાથા, શેફેર પર્વતની તળેટી, હરાદા, માકહેલોથ, તાહાથ, તેરા, મિથ્કા, હાશ્મોના, મોસેરોથ, બની-યાઅકાન, હોર-હાગિદગાદ, યોટબાથા, આબ્રોના, એસ્યોન-ગેબેર, સીનનો રણપ્રદેશ (એટલે કાદેશ). કાદેશથી નીકળી તેમણે અદોમની સરહદે આવેલા હોર પર્વત પાસે પડાવ નાખ્યો. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** પ્રભુની આજ્ઞાથી આરોન હોર પર્વત પર ગયો. ઇઝરાયલીઓએ ઇજિપ્ત છોડયું ત્યાર પછીના ચાલીસમાં વર્ષે, પાંચમાં મહિનાને પ્રથમ દિવસે એક્સોને ત્રેવીસ વર્ષની ઉંમરે તે મરણ પામ્યો. *** કનાનની દક્ષિણે નેગેબમાં આવેલા અરાદના કનાની રાજાને ખબર પડી કે ઇઝરાયલીઓ આવી રહ્યા છે. હોર પર્વતથી મોઆબના મેદાન સુધી ઇઝરાયલીઓએ નીચેનાં સ્થળોએ પડાવ નાખ્યો: સાલ્મોના, પૂનોન, ઓબોથ, મોઆબની સરહદ પર આવેલાં અબારીમનાં ખંડેરો, દિબોન-ગાદ, સાલ્મોન- દિબ્લાથાઈમ, અને ત્યાંથી નબો પર્વત પાસે આવેલા અબારીમ પર્વત પાસે છાવણી કરી. અબારીમ પર્વતથી નીકળીને તેઓએ યરીખોની સામે યર્દન નદીને સામે કિનારે બેથ-યશીમોથ અને આબેલ- શિટ્ટીમની વચ્ચે મોઆબના મેદાનોમાં પડાવ નાખ્યો. *** *** *** *** *** *** *** *** મોઆબના મેદાનોમાં યર્દન નદીને પૂર્વ કિનારે યરીખોની પાસે પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: જ્યારે તમે યર્દન નદી ઓળંગીને કનાન દેશમાં પ્રવેશ કરો ત્યારે તમારે તે દેશમાં બધા વતનીઓને હાંકી કાઢવા. તેમની પથ્થરની અને ધાતુઓની મૂર્તિઓનો નાશ કરવો અને તેમનાં બધાં ઉચ્ચ ભક્તિસ્થાનો તોડી પાડવાં. તમારે તે દેશનો કબજો લઈને તેમાં વસવાટ કરવો; કારણ, મેં તે દેશ તમને આપ્યો છે. તમારે પાસા નાખીને એ દેશના ભાગ કુટુંબ અને કુળ પ્રમાણે વહેંચી લેવા; મોટાં કુટુંબને મોટો ભાગ અને નાનાં કુટુંબને નાનો ભાગ મળે. જો તમે તે દેશના વતનીઓને નહિ હાંકી કાઢો, તો જેઓ બાકી રહી જશે તેઓ તમારી આંખમાં કણીની જેમ અને તમારા પડખામાં કાંટાની જેમ ખૂંચશે અને તમને હંમેશા પરેશાન કરશે. જો તમે તેમને હાંકી નહિ કાઢો તો તેમની જે દુર્દશા કરવાનું મેં ધાર્યું હતું તે તમારી થશે.” પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે આજ્ઞા આપ: હવે તમે કનાન દેશમાં પ્રવેશ કરવાના છો. તમને વારસામાં મળનાર એ કનાન દેશની સરહદો આ પ્રમાણે છે: *** તેની દક્ષિણ સરહદ સીનના રણપ્રદેશથી અદોમની સીમા સુધી પહોંચે છે. તે પૂર્વમાં મૃત સરોવરના દક્ષિણ છેડાથી શરૂ થઈ દક્ષિણમાં આક્રાબ્બીમના ઘાટ (વીંછીઓનો ઘાટ) સુધી જઈ સીનમાં થઈને દક્ષિણે કાદેશ - બાર્નિયા સુધી પહોંચે છે. ત્યાંથી તે હસાર-આદ્દાર થઈ આસ્મોનથી ઇજિપ્તની સરહદે આવેલા નાળા તરફ વળી ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થાય છે. “ભૂમય સમુદ્ર અને તેનો કાંઠો તે તમારી પશ્ર્વિમ બાજુની સરહદ થશે. “તમારી ઉત્તર બાજુની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી જશે, ને ત્યાંથી તે હમાથના નાકા સુધી જાય અને તેનો છેડો સદાદ સુધી જાય. ત્યાંથી એ ઝિફ્રોન થઈ હસાર-એનાન આગળ પૂરી થશે. આ તમારી ઉત્તર બાજુની સરહદ થશે. “તમારી પૂર્વની સરહદ હસાર-એનાનથી શફામ સુધી આંકવી. શફામથી દક્ષિણ તરફ રિબ્લા સુધી, અને પૂર્વ તરફ આયિન થઈ ગાલીલ સરોવરના પૂર્વ કિનારાની ટેકરીઓ સુધી પહોંચશે. ત્યાંથી તે યર્દન નદીને કિનારે આગળ વધી મૃત સરોવર આગળ પૂરી થશે. એ ચારે બાજુની સરહદો પ્રમાણેનો પ્રદેશ તમારો ગણાશે.” તેથી મોશેએ ઇઝરાયલીઓને આજ્ઞા આપીને કહ્યું, “પાસા નાખીને તમારે આ પ્રદેશ પહેંચી લેવાનો છે. પ્રભુએ આ દેશ નવ કુળો અને એક અર્ધા કુળને આપ્યો છે. રૂબેન તથા ગાદ તેમજ મનાશ્શાના અર્ધા કુળને તો તેમનાં પૂર્વજોના કુટુંબો પ્રમાણે તેમનો વારસો મળી ગયો છે. આ લોકોને યરીખોની સામે યર્દન નદીને પૂર્વ કાંઠે વારસો મળી ચૂક્યો છે.” *** પ્રભુએ મોશેને કહ્યું, “યજ્ઞકાર એલાઝાર તથા નૂનનો પુત્ર યહોશુઆ ભૂમિના વારસાની વહેંચણી કરશે. *** તેમાં મદદ માટે એક કુળ પ્રમાણે એક એક આગેવાન પસંદ કરવાનો છે.” પ્રભુએ પસંદ કરેલ આગેવાનોનાં નામ આ પ્રમાણે છે: [કુળ] — [આગેવાન] યહૂદા — યફૂન્‍નેહનો પુત્ર કાલેબ શિમયોન — આમ્મીહૂદનો પુત્ર શમુએલ બિન્યામીન — કિસ્લોનનો પુત્ર અલીદાદ દાન — યોગ્લીનો પુત્ર બુક્કી મનાશ્શા — એફોદનો પુત્ર કમુએલ એફ્રાઈમ — શિફટાનનો પુત્ર કમુએલ ઝબુલૂન — પાર્નાખનો પુત્ર અલીસાફાન ઇસ્સાખાર — અઝ્ઝાનનો પુત્ર પાલ્ટીએલ આશેર — શલોમીનો પુત્ર આહીહૂદ નાફતાલી — આમ્મીહૂદનો પુત્ર પદાહએલ *** *** *** *** *** *** *** *** *** કનાન દેશમાં ઇઝરાયલીઓને ભૂમિનો વારસો વહેંચી આપવા માટે પ્રભુએ એ માણસોને આજ્ઞા આપી હતી. મોઆબના મેદાનમાં યરીખોની પાસે યર્દનને સામે કિનારે પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલીઓને તું આજ્ઞા કર કે પોતાના વારસાના હિસ્સામાંથી અમુક નગરો લેવીઓને વસવાટ માટે આપે અને તે નગરોની આસપાસની ચરાણની જમીન પણ તેઓ લેવીઓને આપે. આ નગરો લેવીઓનાં ગણાય અને તેઓ તેમાં વસવાટ કરે અને ચરાણની જમીન તેમનાં ઢોર, ઘેટાંબકરાં અને બીજા પ્રાણીઓ માટે રહે. લેવીઓને જે નગરો મળે તેના કોટની ચારે બાજુએ ચરાણની જમીન આશરે 450 મીટર વિસ્તરેલી હશે. અને દરેક નગરની બહાર પૂર્વ તરફની બાજુ 900 મીટર, દક્ષિણ તરફની બાજુ 900 મીટર, પશ્ર્વિમ તરફની બાજુ 900 મીટર અને ઉત્તર તરફની બાજુ 900 મીટર માપવી. નગર આ બાજુઓની વચ્ચે હોય. એ જમીન તેમને માટે ચરાણની જમીન ગણાય.” “તમારે લેવીઓને કુલ અડતાલીસ નગરો ચરાણની જમીન સાથે આપવાનાં છે. તેમાંનાં છ આશ્રયનાં નગરો ગણાશે. જો કોઈ અજાણે ખૂન કરે તો ખૂની ત્યાં નાસીને આશ્રય લઈ શકશે. *** ઇઝરાયલીઓએ પોતાને મળેલા વારસામાંથી લેવીઓને હિસ્સો કાઢી આપવાનો છે. જે કુળની પાસે વધારે વિસ્તાર હોય તેમનામાંથી વધારે નગરો લેવાં ને જેમની પાસે ઓછો વિસ્તાર તેમનામાંથી ઓછાં નગરો લેવાં. પ્રત્યેક કુળને જેટલો વારસો મળે તેના પ્રમાણમાં તેમણે લેવીઓને નગરો કાઢી આપવાનાં છે.” પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: જ્યારે તમે યર્દન નદી ઓળંગી કનાન દેશમાં પ્રવેશ કરો. *** ત્યારે તમારે અમુક નગરો આશ્રયનગરો તરીકે પસંદ કરવાં. જો કોઈ અજાણે ખૂન કરે તો તે ત્યાં આશ્રય લઈ શકે. મરનારનું વેર લેવા ઇચ્છનારના નિકટના સગાથી તે સલામત રહી શકશે. સમગ્ર સમાજ સમક્ષ ન્યાયચુકાદા માટે મુકદ્દમો ચલાવ્યા વગર ખૂનીની હત્યા કરાય નહિ. તમારે આશ્રયનગર તરીકે છ નગરો પસંદ કરવાં. ત્રણ નગરો યર્દન નદીની પૂર્વ બાજુએ અને ત્રણ કનાન દેશમાં આપવાં. આ છ નગરો ઇઝરાયલીઓ માટે અને તમારી મધ્યે કાયમ માટે વસતા પરદેશી કે પરદેશી ‘પ્રવાસીની સલામતી માટેનાં આશ્રયનગરો ગણાશે. જો કોઈ અજાણે ખૂન કરે તો તે તેમાં આશ્રય લઈ શકશે. “પણ જો કોઈ માણસ કોઈને લોખંડ, પથ્થર કે લાકડાના હથિયારથી મારે તો તેણે ખૂન કર્યું છે. ખૂનીને મોતની સજા થવી જ જોઈએ. ખૂનીને મારી નાખવાની જવાબદારી મરનારના સૌથી નિકટના સગાની છે. જ્યારે તે તેને શોધી કાઢે ત્યારે તેણે તેને મારી નાખવો. *** *** *** “જો કોઈ માણસ દ્વેષભાવને લીધે કોઈને ગબડાવી દઈને અથવા લાગ જોઈને સંતાઈ રહીને કોઈ હથિયાર ફેંકીને અથવા મુક્કા મારીને તેનું ખૂન કરે તો તે ખૂનનો દોષી છે અને તે માર્યો જાય. મરનારના સૌથી નિકટના સગાની જવાબદારી છે કે તે ખૂનીને શોધીને મારી નાખે. *** “જો કોઈ માણસ દુશ્મનાવટ ન હોવા છતાં કોઈને ધક્કો માર્યો હોય કે મારી નાખવાના ઈરાદા વગર હથિયાર ફેંકાયું હોય અથવા વગર જોયે પથ્થર ફેંક્યો હોય અને તે કોઈને વાગે અને તે મરી જાય અને મરનાર ખૂનીનો દુશ્મન ન હોય અને તેને ઘાયલ કરવાનો કોઈ ઈરાદો ન હોય, તો સમાજે એ ખૂની અને મરનારના સૌથી નિકટના સગા વચ્ચે આ કાયદા પ્રમાણે ન્યાય કરવો. સમાજે એ ખૂનીનું મરનારના સૌથી નિકટના સગાથી રક્ષણ કરવું અને જે આશ્રય નગરમાં તે નાસી છૂટયો હોય ત્યાં તેને પાછો પહોંચાડવો. પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યજ્ઞકારના મૃત્યુ સુધી તેણે તે આશ્રયનગરમાં જ રહેવું. હવે જો એ ખૂની જે આશ્રયનગરમાં આશરો લીધો તેની હદમાંથી બહાર જાય, અને તેને મરનારના ખૂનનું વેર લેવા ઈચ્છનાર સૌથી નિકટનો સગો શોધી કાઢે અને જો તે સગો ખૂનીને મારી નાખે તો તેનાથી ખૂનનો દોષ થયો ન ગણાય. કારણ, ખૂન કરનારે પ્રમુખ યજ્ઞકારના મૃત્યુ સુધી આશ્રયનગરની હદની અંદર જ રહેવું જોઈએ. પ્રમુખ યજ્ઞકારના અવસાન પછી જ તે પોતાના વતનમાં પાછો જઈ શકે છે. “આ કાયદાકીય પ્રબંધ તમને અને તમારા વંશજોને સર્વત્ર અને સદાને માટે લાગુ પડે છે. ખૂનના આરોપીને બે અથવા તેથી વધુ સાક્ષી પુરાવાઓને આધારે જ ખૂની ઠરાવીને મૃત્યુની સજા ફટકારી શકાય. ફક્ત એક જ સાક્ષીનો પુરાવો મૃત્યુદંડ આપવા માટે પૂરતો નથી. મૃત્યુદંડની સજા થયેલા ખૂનીને મુક્તિમૂલ્ય લઈને છોડાવી લેવાય નહિ. તેને તો મૃત્યુદંડ મળવો જ જોઈએ. જો કોઈ માણસે આશ્રયનગરમાં જઈને આશ્રય લીધો હોય તો પ્રમુખ યજ્ઞકારના અવસાન પહેલાં મુક્તિમૂલ્ય લઈને તેને પોતાના વતનમાં વહેલો પાછો જવા ન દેવો. તેમ કરવાથી જે દેશમાં તમે વસો છો તે અપવિત્ર થાય છે. ખૂન દેશને ભ્રષ્ટ કરે છે. ખૂનીના ખૂન સિવાય ભ્રષ્ટ થયેલી ભૂમિના શુદ્ધિકરણ માટે બીજું કોઈ પ્રાયશ્ર્વિત નથી. તમે જે દેશમાં વસો છો અને જેમાં હું વસું છું તેને ભ્રષ્ટ કરશો નહિ; કારણ, હું પ્રભુ છું અને હું ઇઝરાયલી લોકો મધ્યે વસું છું.” યોસેફના પુત્ર મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના ગોત્રના આગેવાનોએ મોશે અને ઇઝરાયલીઓના કુટુંબના આગેવાનોની સમક્ષ આવીને કહ્યું, “પ્રભુએ તમને પાસા નાખીને ઇઝરાયલીઓને ભૂમિનો વારસો વહેંચી આપવાની આજ્ઞા કરી છે અને અમારા ભાઈ સલોફહાદનો વારસો તેની દીકરીઓને આપવાની આજ્ઞા કરી છે. પણ જો તેઓ ઇઝરાયલીઓનાં બીજાં કુળનાં કુટુંબમાં લગ્ન કરે તો તેમનો વારસો તે કુળને ફાળે જાય અને અમારા કુળના ભાગનો વારસો એટલો ઘટી જશે. હવે જ્યારે ઇઝરાયલી લોકો માટે ઋણમુક્તિનું પર્વ આવશે ત્યારે સલોફહાદની દીકરીઓનો વારસો તેઓ જે કુળમાં પરણી હશે તેમનો થઈ જશે અને અમારું કુળ એ વારસો કાયમને માટે ગુમાવશે.” આથી મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે આ નિર્ણય ઇઝરાયલીઓને કહી સંભળાવ્યો: “યોસેફના કુળના લોકોની વાત વાજબી છે. સલોફહાદની દીકરીઓની બાબતમાં પ્રભુની આજ્ઞા આ પ્રમાણે છે: તેઓ જેમને પરણવા ચાહે તેમને પરણી શકે પણ તેમણે પોતાના કુળના જ કોઈ કુટુંબમાં પરણવાનું રહેશે. આ વ્યવસ્થાથી ઇઝરાયલનાં કુળોનો વારસો જે તે કુળમાં જ રહેશે; એક કુળનો વારસો બીજા કુળમાં જવા પામશે નહિ.” “જો કોઈ છોકરીને ઇઝરાયલના કોઈ કુળમાં વારસો મળે તો તેણે પોતાના પિતાના કુળના જ કુટુંબમાંના પુરુષ સાથે લગ્ન કરવું. જેથી પ્રત્યેક ઇઝરાયલી વ્યક્તિ પોતપોતાના પૂર્વજોનો વારસો ભોગવે. એમ એક કુળમાંથી વારસો બીજા કુળમાં ન જતાં દરેક કુળનો વારસો તે જ કુળમાં રહેશે.” સલોફહાદની દીકરીઓએ પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું. માહલા, તિર્સા, હોગ્લા, મિલ્કા અને નોઆએ પોતાના કાકાના પુત્રોની સાથે લગ્ન કર્યાં. *** તેઓ યોસેફના પુત્ર મનાશ્શાના કુળના કુટુંબમાં જ પરણી. તેથી તેમનો વારસો તેમના કુળમાં જ રહ્યો. મોઆબના મેદાનમાં યર્દન નદીને કિનારે યરીખો સામે પ્રભુએ મોશેની મારફતે ઇઝરાયલીઓને જે જે આજ્ઞાઓ અને નિયમો આપ્યા તે ઉપર પ્રમાણે છે. ઇઝરાયલીઓ યર્દન નદીની પૂર્વે રણપ્રદેશમાં હતા ત્યારે મોશેએ તેમને સંબોધેલાં કથનો આ પુસ્તકમાં છે. તેઓ સૂફની સામેના યર્દનના ખીણપ્રદેશ અરાબામાં હતા. તેમની એક તરફ પારાન અને બીજી તરફ તોફેલ, લાબાન, હાસેરોથ તથા દીઝાહાબ નગરો હતાં. (અદોમના પહાડી પ્રદેશને માર્ગે હોરેબ પર્વતથી કાદેશ-બાર્નિયા જતાં અગિયાર દિવસ લાગે છે). પ્રભુએ ઇઝરાયલીઓને જે જે કહેવા મોશેને આજ્ઞા આપી હતી તે સર્વ મોશેએ તેમને ઇજિપ્તમાંથી નીકળ્યા પછી ચાલીસમા વર્ષના અગિયારમા મહિનાના પ્રથમ દિવસે કહી સંભળાવ્યું. હેશ્બોન નગરમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોનનો અને આશ્તારોથ તથા એડ્રેઈ નગરોમાં રાજ કરનાર બાશાનના રાજા ઓગનો સંહાર કર્યા પછીનો એ બનાવ છે. યર્દન નદીની પૂર્વે મોઆબના પ્રદેશમાં મોશેએ ઈશ્વરના નિયમો અને શિક્ષણ સમજાવવાની શરૂઆત કરી. તેણે કહ્યું: “આપણા ઈશ્વર પ્રભુએ આપણને હોરેબ પર્વત પર કહ્યું હતું કે, ‘આ પર્વત પાસે તમે લાંબો સમય રહ્યા છો. હવે અહીંથી છાવણી ઉપાડી આગેકૂચ કરો. અમોરીઓના પહાડી પ્રદેશમાં અને તેની નજીકના વિસ્તારો એટલે કે અરાબા, ઉચ્ચ પ્રદેશ, નીચાણનો પ્રદેશ, નેગેબ અને સમુદ્રકાંઠાના પ્રદેશમાં તથા કનાનીઓના પ્રદેશમાં તથા લબાનોનમાં અને છેક મહાનદી યુફ્રેટિસ સુધી જાઓ. જુઓ, મેં એ બધો પ્રદેશ તમને સોંપી દીધો છે. માટે જાઓ અને મેં પ્રભુએ તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ તથા તેમના વંશજોને જે પ્રદેશ આપવાના શપથ લીધા હતા તે કબજે કરી લો.” તે સમયે મેં તમને કહ્યું હતું કે “હું એકલો તમારી જવાબદારી ઉપાડવાને શક્તિમાન નથી. તમારા ઈશ્વર પ્રભુએ તમારી વંશવૃધિ કરી છે અને આજે તો તમે આકાશના તારાઓની જેમ અસંખ્ય થયા છો. તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ તમને આપેલા વચન પ્રમાણે તમારી સંખ્યા હજારગણી વધારો અને તમને આશીર્વાદ આપો! પણ તમારા દાવાઓ અને વિવાદોનો નિકાલ કરવાની જવાબદારી હું એકલો કેવી રીતે ઉપાડી શકું? તેથી તમારા પ્રત્યેક કુળમાંથી શાણા, સમજુ અને પ્રતિષ્ઠિત પુરુષોને પસંદ કરો અને હું તેમની તમારા અધિકારીઓ તરીકે નિમણૂંક કરીશ. ત્યારે તમે મને કહ્યું હતું કે, ‘તમે જે કરવા માગો છો તે યોગ્ય છે.’ તેથી તમારા કુળોમાંથી તમે પસંદ કરેલા શાણા અને પ્રતિષ્ઠિત પુરુષોને લઈને મેં તેમને તમારા અધિકારીઓ તરીકે નીમ્યા: કેટલાકને હજાર હજારના ઉપરી, કેટલાકને સો સોના ઉપરી, કેટલાકને પચાસ પચાસના ઉપરી, તો કેટલાકને દશ દશના ઉપરી ઠરાવ્યા. તમારાં કુળો માટે બીજા અધિકારીઓ પણ નીમ્યા. તે સમયે મેં તમારા ન્યાયાધીશોને આ પ્રમાણે ફરમાવ્યું હતું: તમારા જાતભાઈઓમાં ઊભી થયેલી તકરારોના કેસ યાનપૂર્વક સાંભળો. દરેક તકરારનો અદ્દલ ન્યાય તોળો, પછી તમારા જાતભાઈઓની અંદરોઅંદરની બાબત હોય કે તમારી મધ્યે વસતા પરદેશી સાથેની બાબત હોય. તમારા ચુકાદામાં પક્ષપાત દાખવશો નહિ; નાનામોટા સૌનું એક સરખી રીતે સાંભળો. કોઈની બીક રાખશો નહિ; કારણ, ચુકાદો ઈશ્વર તરફથી છે. જે કેસ તમને અઘરો લાગે તે મારી પાસે લાવવો અને હું તે સાંભળીશ.’ તમારે એ બધી બાબતો વિષે શું કરવું તે વિષે મેં તમને તે સમયે સૂચના આપી હતી. “આમ આપણા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે હોરેબ પર્વતથી અમોરીઓના પહાડીપ્રદેશ તરફ ઉપડયા અને જે વિશાળ અને ભયાનક રણપ્રદેશ તમે જોયો તે, પસાર કરીને આપણે કાદેશ-બાર્નિયા આવી પહોંચ્યા. ત્યારે મેં તમને કહ્યું હતું કે આપણા ઈશ્વર પ્રભુ આપણને અમોરીઓનો જે પહાડી પ્રદેશ આપવાના છે ત્યાં તમે આવી પહોંચ્યા છો. જુઓ, તમારા ઈશ્વર પ્રભુએ આ દેશ તમને સોંપ્યો છે માટે આગળ વધો અને તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુના કહ્યા પ્રમાણે તેને કબજે કરી લો. ગભરાશો નહિ કે નાહિંમત થશો નહિ. “પણ તમે સૌએ મારી પાસે આવીને કહ્યું, ‘આપણે પ્રથમ માણસો મોકલીએ કે તેઓ જઈને આપણે માટે તે દેશની તપાસ કરે અને આપણે કયે માર્ગે આગળ જવું અને માર્ગમાં કયાં કયાં નગરો આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને માહિતી આપે.’ મને એ વાત યોગ્ય લાગી તેથી મેં દરેક કુળમાંથી એક એમ તમારામાંથી બાર માણસો પસંદ કર્યા. તેઓ ચાલી નીકળ્યા અને પહાડીપ્રદેશમાં એશ્કોલના ખીણપ્રદેશ સુધી પહોંચ્યા અને તે દેશ વિષે માહિતી મેળવી. તેઓ આપણી પાસે તે પ્રદેશનાં ફળ લેતા આવ્યા અને તેમણે આ પ્રમાણે અહેવાલ આપ્યો, ‘આપણા ઈશ્વર પ્રભુ આપણને જે દેશ આપે છે તે ફળદ્રુપ છે.’ “પરંતુ તમે ત્યાં જવાનો ઈનકાર કર્યો અને તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા વિરુધ બંડ કર્યું. તમે તમારા તંબૂઓમાં બડબડાટ કરતાં કહ્યું કે, ‘પ્રભુ આપણને ધિક્કારે છે અને એટલે જ અમોરીઓના કબજામાં સોંપી દઈ આપણો નાશ કરવા તે આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણા જાતભાઈઓએ આપણને જણાવ્યું છે કે, “એ લોકો તો આપણા કરતાં કદાવર અને ઊંચા છે; તેમનાં નગરો વિશાળ અને ગગનચુંબી કોટવાળાં છે. વળી, ત્યાં અમે અનાકના વંશજો જોયા છે.” એમ કહીને તેમણે આપણને નાહિંમત કરી નાખ્યા. “ત્યારે મેં તમને કહ્યું, “એ લોકોથી ગભરાશો નહિ કે ડરશો નહિ. તમારા ઈશ્વર પ્રભુ તમારી મોખરે ચાલે છે અને તે તમારે માટે યુધ કરશે, અને તમારી સમક્ષ તેમણે ઇજિપ્તમાં અને રણપ્રદેશમાં જેવાં કાર્યો કર્યાં તેવાં કાર્યો તે કરશે.” તમે જોયું છે કે તમે આ સ્થળે સહીસલામત આવી પહોંચ્યા ત્યાં સુધી માણસ પોતાના બાળકને ઊંચકી લે તેમ તમારા ઈશ્વર પ્રભુએ તમને તમારા પ્રવાસના આખે રસ્તે ઊંચકી લીધા. આટલું બધું બન્યું છતાં તમે તમારા ઈશ્વર પ્રભુ પર વિશ્વાસ રાખ્યો નહિ. જો કે પ્રભુ તો તમારે ક્યાં છાવણી નાખવી તે શોધવા અને તમારે કયે માર્ગે જવું તે બતાવવા રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે હંમેશા તમારી મોખરે ચાલતા હતા. “તમારો બડબડાટ સાંભળીને પ્રભુ અત્યંત રોષે ભરાયા અને તેમણે શપથ લીધા કે, ‘જે સારી ભૂમિ તમારા પૂર્વજોને આપવાના મેં શપથ લીધા હતા તે આ કુટિલ પેઢીના લોકોમાંથી એક પણ જોવા પામશે નહિ.’ માત્ર યફુન્‍નેહનો પુત્ર કાલેબ તે જોશે; અને જે ભૂમિ પર તેના પગ પડયા છે તે ભૂમિ હું તેને તથા તેના વંશજોને આપીશ; તે મને પ્રભુને પૂરેપૂરો વફાદાર રહ્યો છે. “વળી, તમારે લીધે પ્રભુએ મારા પર પણ રોષે ભરાઈને મને કહ્યું, ‘તું પણ તે દેશમાં પ્રવેશવા પામશે નહિ. તારો સહાયક, નૂનનો પુત્ર યહોશુઆ તેમાં પ્રવેશ કરશે. તું તેને હિંમત આપ. કારણ, તે જ ઇઝરાયલીઓને એ દેશનો કબજો અપાવશે.’ તમારાં નાનાં બાળકો જેમના વિષે તમે કહેતા કે તેઓ શત્રુઓની લૂંટરૂપ થઈ પડશે તેઓ, અને તમારાં સંતાનો જેમને હજુ સારાનરસાનું ભાન નથી તેઓ તો તેમાં પ્રવેશ કરશે અને હું તેમને તે દેશ આપીશ અને તેઓ તેમનો કબજો મેળવશે. પણ તમે બધા તો પાછા ફરો, અને સૂફ સમુદ્રની દિશામાં રણપ્રદેશમાં ચાલવા લાગો. “ત્યારે તમે મને ઉત્તર આપ્યો, ‘અમે પ્રભુની વિરુધ પાપ કર્યું છે. હવે અમે ત્યાં ચડાઈ કરીને આપણા ઈશ્વર પ્રભુએ આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે યુધ કરીશું.” તેથી તમે સૌ પોતપોતાનાં શસ્ત્રો સજીને પહાડી પ્રદેશ પર હુમલો કરવા તૈયાર થઈ ગયા. “પરંતુ પ્રભુએ મને કહ્યું, ‘તેમને કહે, કે ચડાઈ કરશો નહિ; કારણ, હું તમારી મધ્યે નથી. તમે તમારા શત્રુઓથી પરાજય પામશો.’ મેં તમને એ પ્રમાણે જણાવ્યું પણ તમે મારું સાંભળ્યું નહિ. તમે પ્રભુની આજ્ઞાનો અનાદર કર્યો અને જીદપૂર્વક પહાડી પ્રદેશ પર ચડાઇ કરી. ત્યારે તે પહાડી પ્રદેશમાં વસનાર અમોરી લોકો તમારી સામે લડવા નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારો પીછો કર્યો અને સેઈરના પહાડી પ્રદેશમાં આવેલા હોર્મા સુધી તમારો સંહાર કર્યો. આથી પાછા આવીને તમે પ્રભુની સમક્ષ વિલાપ કર્યો; પણ પ્રભુએ તમારો પોકાર સાંભળ્યો નહિ કે તમને ગણકાર્યા નહિ. આમ, તમારે કાદેશમાં ઘણા દિવસ રહેવું પડયું. “પછી પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે પાછા ફરીને સૂફ સમુદ્રની દિશામાં રણપ્રદેશમાં ચાલી નીકળ્યા અને ઘણા દિવસ સુધી સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા. “પછી પ્રભુએ મને કહ્યું, ‘તમે આ પર્વતની આસપાસ ઘણો સમય ફરતા રહ્યા છો; હવે તમે ઉત્તર તરફ કૂચ કરો. *** તારા લોકોને તું આવો આદેશ આપ: તમારે હવે સેઈરમાં વસતા કુટુંબીજનો એસાવના વંશજોની સરહદમાં થઈને પસાર થવાનું છે. તેઓ તમારાથી બીશે. છતાં સાવચેત રહેજો, અને તેમની સાથે લડશો નહિ; કારણ, તેમની ભૂમિમાંથી એક ડગલું જમીન પણ હું તમને આપવાનો નથી. સેઈરનો એ પહાડીપ્રદેશ તો મેં એસાવના વંશજોને વારસા તરીકે આપ્યો છે. તમે તમારો ખોરાક તેમની પાસેથી વેચાતો લઈને ખાજો; વળી, તમારું પાણી પણ તેમની પાસેથી પૈસા ચૂકવીને પીજો. કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ આપ્યો છે અને આ વિશાળ રણપ્રદેશમાં તમારા રઝળપાટ દરમ્યાન તેમણે તમારી સંભાળ લીધી છે અને ચાલીસ વર્ષ સુધી તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે રહ્યા છે અને તમને કશાની ખોટ પડી નથી.’ “તેથી એલાહ તથા એસ્યોન ગેબેર નગરોથી અરાબા તરફ જતો રસ્તો પડતો મૂકીને આપણે સેઈરના પહાડીપ્રદેશમાં આપણાં કુટુંબીજનો એસાવના વંશજોની હદ બહારથી પસાર થયા અને મોઆબના રણપ્રદેશની તરફ પ્રયાણ કર્યું. પ્રભુએ મને કહ્યું, ‘મોઆબના લોકોને રંજાડશો નહિ કે તેમની સાથે યુધ કરશો નહિ; તેમના પ્રદેશમાંથી હું તમને કોઈ ભાગ આપવાનો નથી. કારણ, આર નગરનો પ્રદેશ મેં લોતના વંશજોને વારસામાં આપ્યો છે.’ “(આર નગરમાં અગાઉ એમી જાતિના ઘણા લોક વસતા હતા. તેઓ અનાકીઓની જેમ બળવાન અને કદાવર હતા. અનાકીઓની જેમ તેઓ પણ રફાઈઓ તરીકે જાણીતા હતા. પરંતુ મોઆબી લોકો તેમને એમીઓ કહેતા હતા. હોરી જાતિના લોકો પણ અગાઉ સેઈરમાં વસતા હતા, પણ પ્રભુએ જેમ ઇઝરાયલીઓને આપેલી ભૂમિમાંથી બીજા લોકોને હાંકી કાઢયા હતા તે જ પ્રમાણે એસાવના વંશજોએ ત્યાંથી હોરીઓને હાંકી કાઢયા; હોરી પ્રજાનો વિનાશ કરીને તેઓ તેમની જગ્યાએ વસ્યા.) પ્રભુએ કહ્યું, ‘હવે ઊઠો અને ઝેરેદ વહેળો ઓળંગો!’ “તેથી આપણે ઝેરેદ વહેળો ઓળંગ્યો. આપણે કાદેશ-બાર્નિયાથી નીકળ્યા ત્યારથી ઝેરેદ વહેળો ઓળંગ્યો ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષનો સમય વીત્યો. તે સમય દરમ્યાન પ્રભુએ શપથ લીધા હતા તે પ્રમાણે યોધાઓની આખી પેઢી છાવણીમાંથી નાશ પામી; બલ્કે, છાવણીમાંથી એ બધાનો નાશ થાય ત્યાં સુધી પ્રભુનો હાથ તેમની વિરુધ રહ્યો. “હવે લોકમાંના સર્વ યોધાઓ મરી પરવાર્યા તે પછી પ્રભુએ મને કહ્યું, ‘આજે તમે આર નગરની નજીક મોઆબની સરહદ ઓળંગવાના છો. *** *** તે પછી તમે આમ્મોની લોકોના પ્રદેશમાં પહોંચો, ત્યારે તમે તેમને રંજાડશો નહિ કે તેમની સાથે યુધ કરશો નહિ. કારણ, આમ્મોનીઓના પ્રદેશનો કોઈ ભાગ હું તમને આપવાનો નથી. એ તો મેં લોતના વંશજોને વારસામાં આપ્યો છે. (તે પ્રદેશ અગાઉ રફાઈ લોકોનો ગણાતો હતો. રફાઈઓ ત્યાં વસતા હતા. આમ્મોનીઓ તેમને ઝામઝૂમીઓ કહેતા હતા. અનાકીઓની જેમ રફાઈઓ પણ બળવાન અને કદાવર તેમજ સંખ્યાબંધ હતા. પણ પ્રભુએ આમ્મોનીઓ સામે તેમનો વિનાશ કર્યો અને એમ આમ્મોનીઓએ તેમનો પ્રદેશ કબજે કરીને ત્યાં વસવાટ કર્યો. પ્રભુએ હોરીઓનો વિનાશ કરી સેઈરમાં વસતા એસાવના વંશજ અદોમીઓ માટે પણ એવું જ કર્યું હતું; અદોમીઓએ હોરીઓનો પ્રદેશ કબજે કરીને ત્યાં વસવાટ કર્યો. આજે પણ તેઓ એ અદોમના પહાડીપ્રદેશમાં વસે છે. એમજ આવ્વી લોકો પહેલાં ભૂમધ્ય સમુદ્રના કાંઠા પાસેના પ્રદેશમાં દક્ષિણે છેક ગાઝા નગર સુધી વસતા હતા. પણ ક્રીત ટાપુથી આવેલા કાફતોરી લોકોએ તેમનો વિનાશ કર્યો અને તેમનો પ્રદેશ કબજે કરીને ત્યાં વસવાટ કર્યો.) “આપણે મોઆબ દેશની હદ પસાર કર્યા પછી પ્રભુએ આપણને કહ્યું, ‘હવે ઊઠો અને અહીંથી આગળ વધો અને આર્નોન નદી ઓળંગો! જુઓ, હેશ્બોનના રાજા અમોરી સિહોનને તથા તેના દેશને પ્રભુએ તમારે હવાલે કર્યાં છે. તેના પર આક્રમણ કરો અને તેનો પ્રદેશ કબજે કરવા લાગો. આજથી હું સર્વત્ર બધી પ્રજાઓમાં તમારો એવો ડર અને ધાક બેસાડીશ કે તેઓ તમારાં નામ માત્રથી ધ્રૂજી ઊઠશે અને ત્રાસ પામશે. “પછી કદેમોથના પ્રદેશમાંથી મેં હેશ્બોનના રાજા સિહોન પાસે માણસો મોકલીને સુલેહશાંતિનો સંદેશો પાઠવતાં કહેવડાવ્યું કે, ‘તમારા દેશમાં થઈને અમને જવા દો. અમે ધોરી માર્ગે જ ચાલીશું અને જમણી કે ડાબી તરફ ફંટાઈશું નહિ. અમારો ખોરાક અમે તમારી પાસેથી વેચાતો લઈને જ ખાઈશું; અરે, પાણી પણ અમે તમારી પાસેથી વેચાતું લઈને જ પીશું. તમારા દેશમાંથી અમને માત્ર પગપાળા પસાર થવા દો. જેથી અમે યર્દન ઊતરીને અમારા પ્રભુ અમને જે દેશ આપવાના છે તેમાં પ્રવેશ કરીએ. સેઈરમાં વસતા એસાવના વંશજોએ અને આરમાં વસતા મોઆબીઓએ અમને તેમની હદમાંથી પસાર થવા દીધા હતા તેમ તમે પણ અમને જવા દો.’ “પણ હેશ્બોનના રાજા સિહોને તેના દેશમાં થઈને આપણને પસાર થવા મના કરી. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ તેને હઠીલા મનનો અને દુરાગ્રહી દયનો બનાવ્યો હતો; જેથી આપણે તેને હરાવીને તેનો પ્રદેશ કબજે કરી લઈએ. આજે પણ એ પ્રદેશ આપણા કબજામાં છે. “ત્યારે પ્રભુએ મને કહ્યું હતું, ‘જુઓ, સિહોન અને તેના પ્રદેશને મેં તમારે તાબે કરી દેવા માંડયા છે. તેથી તેના પ્રદેશનો કબજો લેવા માંડો.’ ત્યારે સિંહોન જાતે પોતાના માણસોને લઈને યાહાસ નગર નજીક આપણી સામે યુધ કરવા નીકળી આવ્યો, પણ આપણા ઈશ્વર પ્રભુએ તેને આપણા હાથમાં સોંપી દીધો અને આપણે તેનો, તેના પુત્રોનો તથા તેના સર્વ લોકોનો પરાજય કર્યો. તે સમયે આપણે તેનાં સર્વ નગરો જીતી લીધાં અને તે બધાં નગરોના પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સુધાં સૌનો સંહાર કર્યો અને કોઈનેય જીવતું જવા દીધું નહિ. જે નગરો આપણે જીતી લીધાં હતાં તેમાંથી લૂંટ તરીકે માત્ર પશુપ્રાણી અને સરસામાન જ રાખી લીધાં. આર્નોનની ખીણપ્રદેશની સરહદે આવેલા અરોએર નગર અને તે ખીણપ્રદેશના મધ્યમાં આવેલા નગરથી છેક ગિલ્યાદ સુધીનાં સર્વ નગરો આપણા ઈશ્વર પ્રભુએ આપણે હવાલે કર્યાં. કોઈ નગરની કિલ્લેબંધી એવી મજબૂત નહોતી કે જે આપણે જીતી ન શકીએ. આપણા ઈશ્વર પ્રભુએ આપણને મના કરી હતી તે પ્રમાણે આમ્મોનીઓની સરહદ અથવા યાબ્બોકના વહેળાના ઉપરવાસમાં કે પહાડી પ્રદેશનાં નગરો પર કે અન્ય સ્થળો પર આક્રમણ કરવા આપણે ગયા નહિ. “ત્યાર પછી આપણે બાશાનના પ્રદેશ તરફ ચાલી નીકળ્યા; અને બાશાનનો રાજા ઓગ પોતે તેના સર્વ સૈન્ય સાથે એડ્રેઈ નજીક આપણી સામે યુધ કરવા આવ્યો. પરંતુ પ્રભુએ મને કહ્યું, ‘તેનાથી ડરી જઈશ નહિ. કારણ, હું તેને, તેના સૈન્યને તથા તેના દેશને તારે હવાલે કરીશ અને હેશ્બોનમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોનની જેવી દુર્દશા તેં કરી તેવી તેની પણ કરજે.’ “એમ આપણા ઈશ્વર પ્રભુએ બાશાનના રાજા ઓગને પણ તેના સર્વ સૈન્ય સહિત આપણા હવાલે કર્યો, અને આપણે તેમનો એવો મોટો સંહાર કર્યો કે એમનું કોઈ જીવતું બચ્યું નહિ. તે સમયે આપણે બાશાનનું રાજ્ય એટલે આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. આપણે તેના સર્વ નગરો જીતી લીધાં; આપણે તેમની પાસેથી જીત્યું ન હોય એવું એક પણ નગર બાકી રહ્યું નહિ; એકંદરે આપણે સાઠ નગરો જીતી લીધાં. એ બધાં નગરો ઊંચા કોટ, દરવાજાઓ અને લાકડાનાં દાંડાઓથી સુરક્ષિત હતા. એ ઉપરાંત કોટ વગરનાં સંખ્યાબંધ ગામો પણ હતાં. હેશ્બોનના રાજા સિહોનનાં નગરોની જેમ એ બધાં નગરોનો તેમનાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સહિત પૂરેપૂરો નાશ કર્યો. અને માત્ર ઢોરો અને જીતેલો સામાન લૂંટ તરીકે રાખી લીધાં. “એ પ્રમાણે તે સમયે આપણે યર્દન નદીની પૂર્વ તરફ આવેલો આર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો બધો પ્રદેશ અમોરીઓના એ બંને રાજાઓ પાસેથી જીતી લીધો. (સિદોનીઓ હેર્મોન પર્વતને સિર્યોન તરીકે ઓળખે છે, જ્યારે અમોરી લોકો તેને સેનીર કહે છે). આપણે બાશાનના રાજા ઓગનો સમગ્ર વિસ્તાર, ઉચ્ચપ્રદેશનાં સર્વ નગરો, ગિલ્યાદ અને પૂર્વ દિશામાં સાલખા અને એડ્રેઈ નગરો સુધીનો બાશાનનો પૂરો વિસ્તાર જીતી લીધો. (બાશાનનો રાજા ઓગ રફાઈ જાતિનો છેલ્લો રાજા હતો અને તેની શબપેટી લોખંડની હતી. નિયત માપ પ્રમાણે તે આશરે ચાર મીટર લાંબી અને બે મીટર પહોળી હતી. તે પેટી આમ્મોનીઓના રાબ્બા નગરમાં હયાત છે.) “તે સમયે આપણે કબજે કરેલા પ્રદેશમાંથી આર્નોનને કિનારે આવેલા અરોએર નગરની ઉત્તર તરફનો પ્રદેશ અને ગિલ્યાદના પહાડી પ્રદેશનો તેનાં નગરો સહિતનો અમુક ભાગ મેં રૂબેન તથા ગાદના કુળોને આપ્યો હતો. ગિલ્યાદનો બાકીનો પ્રદેશ તથા ઓગ રાજાનો બાશાનનો એટલે આર્ગોબનો સમગ્ર વિસ્તાર મેં મન્‍નાશાના અર્ધા કુળને આપ્યો હતો. (બાશાન તો રફાઈ જાતિનો દેશ ગણાતો હતો. મનાશ્શાના પુત્ર યાઈરે ગશુરીઓ તથા માઅખાથીઓની સરહદ સુધીનો આર્ગોબનો આખો વિસ્તાર જીતી લીધો. તેણે પોતાના નામ પરથી તે ગામોને ‘હાવ્વોથ યાઈર’ એવું નામ આપ્યું અને આજે પણ તે યાઈરનાં ગામો તરીકે ઓળખાય છે). “ગિલ્યાદનો પ્રદેશ મેં મનાશ્શા કુળના માખીરના ગોત્રને આપ્યો હતો. અને રૂબેન તથા ગાદના કુળના લોકોને ગિલ્યાદથી આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ આપ્યો હતો. તે ખીણની વચમાંથી તેમની દક્ષિણની સરહદ હતી; જે આમ્મોનીઓની સરહદ પણ હતી. પશ્ર્વિમે તેમની સરહદ યર્દન નદી સુધી ઉત્તરે ક્ધિનેરેથ સરોવરથી દક્ષિણે અરાબા એટલે મૃત સમુદ્ર સુધી અને પૂર્વ બાજુએ પિસ્ગા પર્વતની તળેટીના ઢોળાવ સુધી હતી. “તે સમયે મેં તેમને આવી આજ્ઞા આપી: ‘તમારા ઈશ્વર પ્રભુએ તમને આ દેશ કબજે કરવા આપ્યો છે. તમારા સર્વ લડવૈયા પુરુષો શસ્ત્રસજ્જ થઈને તમારા ભાઈઓની એટલે બાકીના ઇઝરાયલીઓની સાથે યર્દન નદીની પેલે પાર જાઓ. હું જાણું છું કે તમારી પાસે પુષ્કળ ઢોરઢાંક છે; તેથી તમારી સ્ત્રીઓ, તથા તમારાં બાળકો અને ઢોરઢાંક મેં તમને આપેલાં નગરોમાં રહે. “તમારી જેમ પ્રભુ તેમને પણ વિરામનું સ્થળ આપે, એટલે કે પ્રભુએ તેમને આપેલો યર્દન નદીની પશ્ર્વિમનો પ્રદેશ તેઓ કબજે કરે અને ત્યાં શાંતિથી વસે ત્યાં સુધી તમે તેમને સાથ આપજો. તે પછી તમે મેં તમને આપેલા આ વતનમાં પાછા આવજો. “તે સમયે મેં યહોશુઆને પણ આજ્ઞા આપી હતી કે, ‘તમારા ઈશ્વર પ્રભુએ આ બે રાજાઓની કેવી દુર્દશા કરી તે તેં તારી નજરે જોયું છે. તું યર્દન નદી ઊતરીને જે જે રાજ્યોમાં જાય છે ત્યાં પ્રભુ તેમને પણ તે જ પ્રમાણે કરશે. તું તેમનાથી ગભરાઈશ નહિ; કારણ, પ્રભુ તારા પક્ષે તમારે માટે લડશે.’ મોશેની પ્રાર્થના “તે સમયે મેં પ્રભુને નમ્રતાથી વીનવણી કરી, ‘હે પ્રભુ યાહવે, તમે તમારા આ સેવકને તમારા મહાત્મ્ય તથા પરાક્રમી ભૂજંના કાર્યોની માત્ર ઝાંખી કરાવી છે. તમારાં જેવાં મહાન કાર્યો કરી શકે એવો આકાશમાં અને પૃથ્વી પર કોઈ દેવ નથી. *** કૃપા કરી મને યર્દન નદીની પેલે પાર જવા દો અને સામે પારનો ફળદ્રુપ દેશ તથા સુંદર પહાડી પ્રદેશ અને લબાનોન જોવા દો.’ પરંતુ તમારે લીધે પ્રભુ મારા પર રોષે ભરાયા હોવાથી તેમણે મારી વિનંતી સાંભળી નહિ. પ્રભુએ મને કહ્યું, ‘તારે માટે આટલું બસ છે! એ બાબત વિષે હવે મારી સાથે ફરી કદી બોલીશ નહિ!’ પિસ્ગા પર્વતના શિખર પર ચઢ અને તારી નજર પશ્ર્વિમ તરફ, ઉત્તર તરફ, દક્ષિણ તરફ અને પૂર્વ તરફ ફેરવીને જો. યાનપૂર્વક અવલોકન કર; કારણ, તું યર્દન નદીની પેલે પાર જઈ શકીશ નહિ. એ અંગે તું યહોશુઆને આજ્ઞા કર, તેને તું હિંમત તથા પ્રોત્સાહન આપ. કારણ, એ જ આ લોકોને પેલે પાર દોરી જશે અને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તેમને પ્રાપ્ત કરાવશે. “તે પછી આપણે બેથ-પયોર નગરની સામેના ખીણપ્રદેશમાં પડાવ નાખ્યો.” પછી મોશેએ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, હવે જે નિયમો અને વિધિઓ હું તમને શીખવું છું તે પર ધ્યાન દઈને તેમનું પાલન કરો, જેથી તમે જીવતા રહો અને જે દેશ તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો. હું તમને જે આજ્ઞા ફરમાવું તેમાં તમારે કંઈ ઉમેરો કરવો નહિ કે તેમાંથી કંઈ ઘટાડો કરવો નહિ; પણ તમારા ઈશ્વર પ્રભુની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું તેનું તમે પાલન કરો. બઆલ-પયોરના સ્થાનકે પ્રભુએ જે કંઈ કર્યું તે તમે તમારી નજરે જોયું; એટલે કે, બઆલ-પયોરની પૂજા કરનારા બધા માણસોનો તમારા ઈશ્વર પ્રભુએ તમારી મધ્યેથી વિનાશ કર્યો. પરંતુ તમારા ઈશ્વર પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેનાર તમે બધા આજ સુધી જીવતા રહ્યા છો. “મારા ઈશ્વર પ્રભુએ મને ફરમાવ્યા પ્રમાણે હું તમને નિયમો અને આદેશો શીખવું છું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો. તે નિયમોનું કાળજીપૂર્વક પાલન કરશો તો બીજા દેશોના લોકોની નજરમાં તમે જ્ઞાની તથા સમજુ ગણાશો. તેઓ આ નિયમો વિષે સાંભળીને કહેશે, ‘આ મહાન પ્રજા જ્ઞાની અને સમજુ છે.’ આપણે જ્યારે પણ સહાયને માટે વિનંતી કરીએ ત્યારે આપણા ઈશ્વર પ્રભુ જેટલા આપણી નિકટ છે તેટલા અન્ય કઈ પ્રજાના દેવ તેમની નિકટ છે? બીજી પ્રજા ગમે તેટલી મહાન હોય તો પણ આજે હું જે નિયમસંહિતા રજુ કરું છું એના જેવા અદલ નિયમો તથા ફરમાનો તેમની પાસે નથી. “તમે અત્યંત સાવધ રહેજો અને જાતે જ ખંતથી કાળજી રાખજો કે તમારી નજરે જોયેલાં કાર્યો ભૂલી જશો નહિ. પણ જીવંતપર્યંત તમે તેમને તમારા અંત:કરણમાં ઠસાવી રાખજો. તમારાં સંતાનોને તથા તમારાં સંતાનોનાં સંતાનોને તે કાર્યો વિષે શીખવજો. તે દિવસે તમે હોરેબ પર્વત પાસે તમારા ઈશ્વર પ્રભુ સમક્ષ ઊભા હતા ત્યારે પ્રભુએ મને કહ્યું હતું કે, ‘આ લોકોને મારી સમક્ષ એકત્ર કર જેથી તેઓ મારી વાણી સાંભળે અને પૃથ્વી પર તેમના સમગ્ર જીવનપર્યંત મને સન્માન આપતાં શીખે અને તેમનાં સંતાનોને પણ એ રીતે વર્તવાને શીખવે.’ તમે નજીક આવીને પર્વતની તળેટીમાં ઊભા રહ્યા હતા. પર્વત તો સળગતો હતો અને જવાળાઓ છેક આકાશ સુધી પહોંચતી હતી. ગાઢ અંધકાર અને ઘનઘોર વાદળો છવાઈ ગયાં હતાં. પ્રભુ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા. તમે શબ્દોનું ઉચ્ચારણ તો સાંભળ્યું પણ કોઈ આકૃતિ તમારા જોવામાં આવી નહિ; તમે માત્ર અવાજ સાંભળ્યો. તેમણે તમારી સાથેના તેમનો કરાર, એટલે, દશ આજ્ઞાઓ જાહેર કરીને તમને તે પાળવાની આજ્ઞા કરી, અને તેમણે તે આજ્ઞાઓ બે શિલાપાટીઓ પર લખી. અને તે સમયે પ્રભુએ મને ફરમાવ્યું કે હું તમને નિયમો અને ફરમાનો શીખવું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તેનો કબજો લેવાના છો ત્યાં તમે તેમનું પાલન કરો. “હોરેબ પર્વત પર પ્રભુ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા તે દિવસે તમે કોઈ પણ પ્રકારનો આકાર જોયો નહિ. તેથી પોતા વિષે અત્યંત સાવધ રહો કે તમે કોઈ પણ આકૃતિના આકારની મૂર્તિ બનાવી પોતાનો વિનાશ વહોરી લો નહિ. નર કે નારીની પ્રતિમા; પૃથ્વી પરના કોઈ પ્રાણીની કે આકાશમાં ઊડનાર કોઈ પક્ષીની પ્રતિમા; પેટે ચાલનાર પ્રાણીની અથવા પૃથ્વી નીચેના પાણીમાંની માછલીની પ્રતિમા ન બનાવો. વળી, ઉપર આકાશમાં દૃષ્ટિ કરીને તમે સૂર્ય, ચંદ્ર, તારા તથા સમગ્ર નક્ષત્રમંડળ જુઓ ત્યારે તેમની પૂજા કરવા લલચાશો નહિ. એ બધાં તો તમારા ઈશ્વર પ્રભુએ બીજી પ્રજાઓને પૂજા માટે વહેંચી આપ્યાં છે! પરંતુ પ્રભુએ તો તમને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા છે; જેથી તમે આજે છો તેમ તેમના પોતાના લોક તરીકે તેમનો વારસો બનો. “તમારે લીધે પ્રભુ મારા પર ક્રોધાયમાન થયા હતા અને તેમણે મને સોગંદપૂર્વક કહ્યું હતું કે, તમારા ઈશ્વર પ્રભુ તમને વારસા તરીકે જે ફળદ્રુપ દેશ આપવાના છે તેમાં યર્દન નદી ઓળંગીને હું પ્રવેશ કરીશ નહિ. પણ હું તો આ જગ્યાએ જ મૃત્યુ પામીશ. હું આ યર્દન નદી ઓળંગવાનો નથી, પણ તમે પેલે પાર જશો અને એ ફળદ્રુપ દેશનો કબજો લેશો. તેથી સાવધ રહેજો અને તમારા ઈશ્વર પ્રભુએ તમારી સાથે કરેલો કરાર વીસરી જશો નહિ અને તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાનું પાલન કરીને કોઈ પણ આકારની મૂર્તિ બનાવશો નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ ભસ્મ કરી નાખનાર અગ્નિ સમાન અને આવેશી ઈશ્વર છે. “તે દેશમાં સ્થાયી વસવાટ કર્યા પછી અને તમને સંતાનો અને પૌત્રપૌત્રીઓ થાય ત્યાર પછી પણ કોઈ પણ આકારની મૂર્તિ બનાવીને પોતાને ભ્રષ્ટ કરશો તો તમે તમારા ઈશ્વર પ્રભુને નારાજ કરશો અને તેમને કોપાયમાન કરશો. તો હું આકાશ તથા પૃથ્વીને તમારી સમક્ષ સાક્ષી રાખીને કહું છું કે યર્દન નદીની પેલે પાર જે દેશનો કબજો લેવા તમે જાઓ છો ત્યાં લાંબી મુદત વસી શકશો નહિ, પણ તમારો વિનાશ થઈ જશે. પ્રભુ તમને અન્ય દેશોમાં વિખેરી નાખશે અને પ્રભુ તમને જે દેશોમાં દોરી જશે તેઓ મધ્યે તમારામાંથી થોડાક લોકો જ બચવા પામ્યા હશે. અને ત્યાં તમે માણસોના હાથે ઘડેલાં અને જોઈ, સાંભળી, ખાઈ કે સૂંઘી ન શકે તેવાં લાકડાનાં અને પથ્થરનાં દેવદેવીઓની પૂજા કરશો. તમે ત્યાં પણ તમારા ઈશ્વર પ્રભુને શોધશો એટલે તમારા સંપૂર્ણ દયથી અને પૂરા અંત:કરણથી તેમની ખોજ કરશો તો તે તમને મળશે. જ્યારે તમે સંકટમાં આવી પડો અને આ બધી વિપત્તિઓ તમારા પર આવી પડશે, ત્યારે આખરે તમે તમારા ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરીને તેમને આધીન થશો. કારણ, તમારા ઈશ્વર પ્રભુ કૃપાળુ છે. તે તમારો ત્યાગ કરશે નહિ કે તમારો વિનાશ કરશે નહિ કે તમારા પૂર્વજો સાથે સોગંદપૂર્વક કરેલો કરાર વીસરી જશે નહિ.” “તમારા જન્મ પહેલાના સમયથી શરૂ કરીને છેક ઈશ્વરે માણસને પૃથ્વી પર ઉત્પન્‍ન કર્યો ત્યાં સુધીનો ભૂતકાળ તપાસી જુઓ! અને આકાશનાં એક છેડાથી બીજા છેડા સુધી પણ શોધી જુઓ કે આવો બીજો મહાન બનાવ કદી બન્યો છે? શું એ વિષે કોઈએ કદી સાંભળ્યું છે? ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી સાંભળીને તમે જીવતા રહ્યા છો તેમ બીજી કોઈ પ્રજાના સંબંધમાં બન્યું છે? અથવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, તેમ કોઈ બીજા દેવે અન્ય દેશમાં જઈને તેની મધ્યેથી પોતાને માટે કોઈ પ્રજા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે? તમારી નજર સામે જ પ્રભુએ પોતાના પ્રચંડ બાહુબળ વડે આફતો, અજાયબ કાર્યો, ચમત્કારો, યુધ અને ત્રાસદાયક કાર્યો કર્યાં તેમ બીજા કોઈ દેવે કર્યાં છે? એકમાત્ર યાહવે જ ઈશ્વર છે અને તેમના સિવાય અન્ય કોઈ નથી એ તમને પૂરવાર કરી આપવા માટે પ્રભુએ એ દર્શાવ્યું છે. તમને બોધ આપવા માટે તેમણે તમને આકાશમાંથી પોતાની વાણી સંભળાવી અને અહીં પૃથ્વી પર મહાન અગ્નિ દેખાડયો અને તે અગ્નિ મધ્યેથી તમે તેમના શબ્દો સાંભળ્યા. તમારા પૂર્વજો ઉપર તેમને પ્રેમ હતો માટે તેમના પછી તેમના વંશજોને ઈશ્વરે પસંદ કર્યા, અને પોતાના મહાન સામર્થ્ય વડે તેમણે ઇજિપ્તમાંથી તેમને મુક્ત કર્યા; એ માટે કે, જેમ આજે બની રહ્યું છે તેમ તમારા કરતાં મહાન અને સંખ્યાવાન પ્રજાઓને તે તમારી સમક્ષથી હાંકી કાઢે અને તમને તેમના દેશમાં લાવીને તમને વતન તરીકે તે આપે. તેથી આજે જાણો અને તમારા મનમાં ઠસાવો કે ઉપર આકાશમાં અને નીચે પૃથ્વી પર એકમાત્ર યાહવે ઈશ્વર છે અને તેમના સિવાય અન્ય કોઈ નથી. આજે હું તમને ઈશ્વરના જે નિયમો અને ફરમાનો શીખવું છું તેમનું પાલન કરો; જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનોનું ભલું થાય અને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને સદાને માટે આપે છે તેમાં તમે લાંબો સમય વસવાટ કરો.” ત્યાર પછી મોશેએ યર્દન નદીની પૂર્વ દિશાએ ત્રણ નગરો ઠરાવ્યાં. જેથી જો કોઈ માણસ ભૂતકાળનું વેર ન હોવાં છતાં કોઈ માણસને અજાણે મારી નાખે તો તે આ ત્રણમાંથી કોઈ એક નગરમાં નાસી જઈને બચી જાય. એ નગરો આ પ્રમાણે હતાં: રૂબેનના કુળ માટે રણપ્રદેશના સમતલ પ્રદેશમાં બેસેર નગર, ગાદના કુળ માટે ગિલ્યાદની હદમાં રામોથ નગર અને મન્‍નાશાના કુળ માટે બાશાનની હદમાં ગોલાન નગર. મોશેએ ઇઝરાયલી લોકો સમક્ષ રજૂ કરેલા નિયમો અને ફરમાનો આ છે: ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યાર પછી મોશેએ તેમને આ સાક્ષ્યવચનો, ધારાધોરણો અને આજ્ઞાઓ કહી સંભળાવ્યા. તે સમયે ઇઝરાયલીઓ યર્દન નદીના પૂર્વ કિનારે આવેલા બેથ-પયોર નગરની સામેના ખીણપ્રદેશમાં હતા. આ વિસ્તાર હેશ્બોનમાં રાજ કરનાર અમોરીઓના રાજા સિહોન જેને મોશે તથા ઇઝરાયલીઓએ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી પરાજિત કર્યો હતો તેના દેશની હદમાં હતો. ઇઝરાયલીઓએ તેના દેશનો તથા ઓગ રાજાના દેશનો કબજો કરી લીધો હતો. આ બે રાજાઓ તો યર્દન નદીની પૂર્વે વસનાર અમોરીઓના રાજાઓ હતા. ઇઝરાયલીઓએ તેમની પાસેથી કબજે કરેલો પ્રદેશ આર્નોન નદીને કિનારે આવેલા અરોએર નગરથી તે છેક ઉત્તરે સિયોન પર્વત (એટલે હેર્મોન પર્વત) સુધીનો, યર્દન પૂર્વેનો આખો અરાબા પ્રદેશનો અને છેક પિસ્ગા પર્વતની તળેટીએ આવેલા અરાબાના સમુદ્ર સુધીનો હતો. મોશેએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેમને કહ્યું, “હે ઇઝરાયલી લોકો, જે નિયમો અને ફરમાનો હું આજે તમારી સમક્ષ જાહેર કરું છું તે સાંભળો. તેમનો અભ્યાસ કરો અને તેમનો કાળજીપૂર્વક અમલ કરો. આપણા ઈશ્વર પ્રભુએ હોરેબ પર્વત પર આપણી સાથે કરાર કર્યો હતો. પ્રભુએ એ કરાર માત્ર આપણા પૂર્વજો સાથે જ નહિ, પરંતુ આપણી સાથે, એટલે આપણે જેઓ આજે અહીં જીવતા છીએ તેમની સાથે પણ કર્યો હતો. પ્રભુ પર્વત પર અગ્નિજ્વાળા મધ્યેથી તમારી સાથે રૂબરૂ બોલ્યા હતા. તે સમયે તમને પ્રભુની વાણી કહેવાને હું પ્રભુની અને તમારી વચ્ચે ઊભો રહ્યો હતો. કારણ, તમે અગ્નિથી બીતા હતા અને પર્વત પર ચડયા નહોતા. પ્રભુએ કહ્યું, ‘તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું. મારા સિવાય અન્ય કોઈ દેવની ભક્તિ ન કરો. તમે તમારે માટે મૂર્તિ ન બનાવો. આકાશમાં, પૃથ્વી પર કે પૃથ્વી નીચેના પાણીમાં જે કાંઈ હોય એના આકારની પ્રતિમા તમે ન બનાવો. તમે મૂર્તિઓને નમન કરશો નહિ, અથવા તેમની ભક્તિ કરશો નહિ, કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનારા સૌને સજા કરું છું. પણ જેઓ મારા પર પ્રેમ રાખે છે તથા મારી આજ્ઞાઓનું પાલન કરે છે તેમના સંબંધમાં તો તેમની હજારો પેઢીઓ સુધી હું અવિચળ પ્રેમ દર્શાવું છું. ‘તમારે મારા નામ યાહવેનો દુરુપયોગ કરવો નહિ. કારણ, મારા નામનો નિરર્થક ઉપયોગ કરનારને હું સજા કર્યા વિના રહેતો નથી. ‘મેં, તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા કર્યા પ્રમાણે સાબ્બાથ દિન પાળો અને તેની પવિત્રતા જાળવો. છ દિવસ તમે શ્રમ કરો અને તમારાં બધાં કાર્યો કરો. પરંતુ સાતમો દિવસ તો મને, એટલે તમારા ઈશ્વર પ્રભુને અર્પિત કરેલો સાબ્બાથદિન છે. તે દિવસે તમે, તમારાં સંતાનો, તમારા દાસદાસીઓ, તમારો બળદ કે ગધેડું, તમારાં ઢોરઢાંક અથવા તમારા દેશમાં વસનાર પરદેશીઓ કંઈ કાર્ય ન કરો, જેથી તમારાં દાસદાસીઓને પણ આરામ મળે. તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને તમારા ઈશ્વર પ્રભુએ પોતાનો હાથ લંબાવીને પ્રચંડ બાહુબળથી તમને ત્યાંથી મુક્ત કર્યા એ યાદ રાખો. તેથી મેં, તમારા ઈશ્વર પ્રભુએ તમને સાબ્બાથદિન પાળવાની આજ્ઞા આપી છે. ‘મેં તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તમારા માતપિતાનું સન્માન કરો, જેથી જે દેશ હું તમને આપું છું તેમાં તમે દીર્ઘાયુ બનો અને તમારું કલ્યાણ થાય. ‘તમે ખૂન ન કરો. ‘તમે વ્યભિચાર ન કરો. ‘તમે ચોરી ન કરો. ‘તમે કોઈની વિરુધ જૂઠી સાક્ષી ન આપો. ‘તમે બીજા માણસની પત્નીની લાલસા ન રાખો. તમે તેના ઘરનો, તેના ખેતરનો, તેનાં દાસદાસીનો, તેના બળદ કે ગધેડાનો અથવા તેની માલિકીની કોઈ પણ વસ્તુનો લોભ ન રાખો.’ “પ્રભુએ પર્વત પર અગ્નિજ્વાળા, વાદળ અને ગાઢ અંધકાર મધ્યેથી મોટે અવાજે તમારી આખી સભા સમક્ષ આ જ આજ્ઞાઓ કહી સંભળાવી હતી; અને એથી વિશેષ કંઈ કહ્યું નહોતું. પછી તેમણે બે શિલાપાટીઓ પર તે લખીને મને આપી હતી. “પર્વત પર અગ્નિની જ્વાળાઓ ભભૂક્તી હતી ત્યારે અંધકાર મધ્યેથી નીકળતી વાણી તમે સાંભળીને તમારા સર્વ કુળોના અધિકારીઓએ અને આગેવાનોએ મારી પાસે આવીને કહ્યું, ‘આપણા ઈશ્વર પ્રભુએ અમને પોતાનાં ગૌરવ અને મહત્તા દર્શાવ્યાં છે અને અમે અગ્નિજ્વાળા મધ્યેથી તેમની વાણી સાંભળી છે; ઈશ્વર કોઈ માણસની સાથે બોલે તે પછી પણ તે માણસ જીવતો રહે એ અમે આજે જોયું છે. પરંતુ અમારે શા માટે વધારે વાર મોતનું જોખમ વહોરવું? કારણ, આ મોટો અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે. જો આપણા ઈશ્વર પ્રભુની વાણી અમે વધારે વાર સાંભળીશું તો અમે જરૂર માર્યા જઈશું. કારણ, અમે બચી ગયા તેમ જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી સાંભળીને કયો માણસ જીવતો બચ્યો છે? તેથી મોશે, તમે આપણા ઈશ્વર પ્રભુ પાસે જાઓ અને તે જે કહે તે બધું સાંભળો, અને પછી આપણા ઈશ્વર પ્રભુ તમને જે કહે તે બધું અમને કહેજો અને અમે તે સાંભળીશું અને પાળીશું.’ “તમે મારી સાથે વાત કરતા હતા તે પ્રભુએ સાંભળી ત્યારે પ્રભુએ મને કહ્યું, ‘આ લોકોની વાત મેં સાંભળી છે અને તેમની વાત સાચી છે. જો આ લોકોના દયનું વલણ સદા એવું જ હોય અને મારા પ્રત્યે આધીનતા દાખવીને મારી બધી આજ્ઞાઓ સર્વદા પાળે તો તેમનું તથા તેમના વંશજોનું સર્વદા કલ્યાણ થાય. જા, તેમને કહે કે તેઓ તેમના તંબૂઓમાં પાછા જાય. પરંતુ તું અહીં મારી પાસે ઊભો રહે અને હું તને મારી સર્વ આજ્ઞાઓ, નિયમો અને આદેશો કહીશ અને તે સર્વ તું તેમને શીખવજે; જેથી જે દેશનો કબજો હું તેમને સોંપું છું, તેમાં તેઓ તેમનું પાલન કરે.’ “તેથી હે ઇઝરાયલીઓ, તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવેલી સર્વ આજ્ઞાઓનું કાળજીપૂર્વક પાલન કરો; તેમાંથી જરાય ચલિત થશો નહિ. તમારા ઈશ્વર પ્રભુએ ચીંધેલા માર્ગે જ ચાલજો કે તમે જીવતા રહો અને તમારું કલ્યાણ થાય અને જે દેશનો તમે કબજો લેવાના છો તેમાં ત્યાં લાંબો સમય વસવાટ કરી શકો. “આ સર્વ આજ્ઞાઓ, નિયમો અને આદેશો તમને શીખવવા મને તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવ્યું છે; જેથી જે દેશમાં પ્રવેશ કરીને તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો. તમે, તમારાં સંતાનો અને તમારાં વંશવારસો સમગ્ર જીવનપર્યંત તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે પૂજ્યભાવ દાખવો અને તેમની જે સર્વ આજ્ઞાઓ અને નિયમો હું તમને આપું છું તેમનું પાલન કરો; જેથી તમે દીર્ઘાયુ થાઓ. હે ઇઝરાયલીઓ, તે આજ્ઞાઓ સાંભળો અને કાળજીપૂર્વક તેમનું પાલન કરો: જેથી તમારું કલ્યાણ થાય અને તમે મહાન પ્રજા બનો અને તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ આપેલા વચન પ્રમાણે તમે ઉત્તમ અને ફળદ્રુપ દેશમાં વસવાટ કરો. “હે ઇઝરાયલીઓ સાંભળો; યાહવે, એકમાત્ર યાહવે આપણા ઈશ્વર છે; અને તમારા ઈશ્વર પ્રભુ પર તમે તમારા પૂરા દયથી, તમારા પૂરા મનથી તથા તમારી પૂરી તાક્તથી પ્રેમ રાખો. આ જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે તમારાં હૃદયમાં ઠસાવી રાખો. તમે તમારાં સંતાનોને તે ખંતથી શીખવો, અને જ્યારે તમે ઘેર હો કે મુસાફરીએ હો; જ્યારે તમે આરામ લેતા હો કે કામ કરતા હો ત્યારે તેમનું હરહંમેશ રટણ કરો. તેમને તમારા હાથ પર નિશાની તરીકે બાંધો અને તમારાં કપાળ વચ્ચે યાદગીરી માટે પહેરો. એ ઉપરાંત તમે તેમને તમારાં મકાનોની બારસાખો ઉપર તથા નગરના દરવાજાઓ ઉપર લખો. “તમારા ઈશ્વરે તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ સમક્ષ શપથ લીધા હતા તે પ્રમાણે ઈશ્વર તમને તે દેશમાં લઈ જશે. ત્યાં મોટાં નગરો છે, જે તમે બાંધ્યાં નથી; સારી સારી વસ્તુઓથી ભરેલાં ઘરો છે, જે તમે ભર્યાં નથી; કૂવાઓ છે, જે તમે ખોદ્યા નથી; દ્રાક્ષાવાડીઓ અને ઓલિવ વૃક્ષની વાડીઓ છે, જે તમે રોપી નથી. પ્રભુ તમને એ દેશમાં લાવે અને તમે ત્યાં ખોરાકથી તૃપ્ત થાઓ; ત્યારે ઇજિપ્ત દેશની ગુલામીમાંથી તમને મુક્ત કરનાર તમારા ઈશ્વર પ્રભુને તમે વીસરી ન જાઓ એ માટે કાળજી રાખજો. તમારા ઈશ્વર યાહવે પ્રત્યે ભક્તિભાવ દર્શાવો, માત્ર તેમની જ ભક્તિ કરો અને માત્ર તેમને નામે જ શપથ લો. તમારી આસપાસની પ્રજાઓના દેવદેવીઓ પૈકી કોઈની પૂજા કરશો નહિ; જો તમે અન્ય દેવદેવીઓની પૂજા કરશો તો તમારા ઈશ્વર પ્રભુનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠશે અને પૃથ્વીના પટ પરથી તે તમારો સમૂળગો વિનાશ કરશે. કારણ, તમારી મધ્યે વસનાર તમારા ઈશ્વર પ્રભુ કોઈ પ્રતિસ્પર્ધી પ્રત્યેની તમારી નિષ્ઠા સાંખી લેતા નથી. “જેમ તમે માસ્સાના સ્થળે કર્યું હતું તેમ તમે તમારા ઈશ્વર પ્રભુની પરીક્ષા ન કરશો. તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવેલી આજ્ઞાઓ, સાક્ષ્યવચનો અને ધારાધોરણોનું પૂરા ખંતથી પાલન કરો. પ્રભુની દૃષ્ટિમાં જે સાચું અને સારું હોય તે કરો જેથી તમારું કલ્યાણ થાય અને જે ઉત્તમ દેશ તમારા પૂર્વજોને આપવા વિષે પ્રભુએ સોગંદ લીધા છે તેમાં પ્રવેશીને તમે તેનો કબજો લો. અને પ્રભુએ આપેલા વચન પ્રમાણે તમે તમારા બધા શત્રુઓને તમારી આગળથી હાંકી કાઢો. “ભવિષ્યમાં તમારાં બાળકો તમને આમ પૂછશે: ‘આપણા ઈશ્વર પ્રભુએ આ બધાં સાક્ષ્યવચનો, ધારાધોરણો અને નિયમનોનું પાલન કરવાનું શા માટે ફરમાવ્યું હતું?” ત્યારે તમે તેમને કહેજો કે ‘અમે ઇજિપ્તના રાજા ફેરોના ગુલામ હતા અને પ્રભુએ તેમના પ્રચંડ બાહુબળથી અમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા. અમે અમારી નજરોનજર તેમનાં અજાયબ કાર્યો અને ઇજિપ્તના લોકો, તેમનો રાજા અને તેમના અધિકારીઓ પર ઉતારેલી ભયંકર આફતો નિહાળી હતી. અમારા પૂર્વજો સમક્ષ લીધેલા શપથ પ્રમાણે આ દેશમાં લાવવા અને આ દેશનો કબજો સોંપવા તેમણે અમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા. ત્યારે આપણા ઈશ્વર પ્રભુએ આપણા કલ્યાણ માટે આ બધી આજ્ઞાઓનું પાલન કરવાનું અને તેમનો આદર રાખવાનું ફરમાવ્યું હતું; જેથી જેમ આજ સુધી આપણને રાખ્યા છે તેમ હંમેશને માટે સંભાળી રાખે. અને જો આપણા ઈશ્વર પ્રભુએ ફરમાવેલી સર્વ આજ્ઞાઓનું આપણે વિશ્વાસુપણે પાલન કરીશું તો આપણે તેમને પ્રસન્‍ન કરી શકીશું.’ “જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમારા ઈશ્વર પ્રભુ તમને લાવે ત્યારે તે ઘણી પ્રજાઓને ત્યાંથી હાંકી કાઢશે. તમે આગળ વધશો તેમ તેમ તે તમારા કરતાં વિશાળ અને બળવાન એવી સાત પ્રજાઓ, એટલે કે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરીઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને હાંકી કાઢશે. જ્યારે તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારે સ્વાધીન કરી દે અને તમે તેમનો પરાજય કરો ત્યારે તમારે તેમનો સંપૂર્ણ સંહાર કરવો. તમે તેમની સાથે સુલેહનો કરાર કરશો નહિ કે તેમના પ્રત્યે દયા દાખવશો નહિ. તમારે તેમની સાથે લગ્નવ્યવહાર રાખવો નહિ; તમારી પુત્રીઓ તેમના પુત્રો સાથે પરણાવશો નહિ કે તેમની પુત્રીઓ તમારા પુત્રો સાથે પરણાવશો નહિ. કારણ, તેઓ તમારા પુત્રોને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, અને તેઓ અન્ય દેવદેવીઓની ભક્તિ કરવા લાગશે. એમ થશે તો પ્રભુ તમારા પર ક્રોધાયમાન થશે અને તમારો સત્વરે વિનાશ કરશે. માટે તમારે તેમની સાથે આ પ્રમાણે વ્યવહાર કરવો: તમારે તેમની વેદીઓ તોડી પાડવી, તેમના પવિત્ર શિલાસ્તંભોના ચૂરેચૂરા કરી નાખવા, તેમની દેવી અશેરાના પ્રતીકરૂપ કાષ્ટસ્તંભોને ચીરી નાખવા અને તેમની મૂર્તિઓને આગમાં બાળી નાખવી. “કારણ, તમે તમારા ઈશ્વર પ્રભુના સમર્પિત લોક છો અને તમારા ઈશ્વર પ્રભુએ પૃથ્વીની બધી પ્રજાઓમાંથી પોતાની વિશિષ્ઠ પ્રજા થવા તમને પસંદ કર્યા છે. તમે બીજી બધી પ્રજાઓ કરતાં સંખ્યામાં વિશેષ હતા તે માટે પ્રભુએ તમારા પર પ્રેમ દાખવ્યો નહોતો કે તમને પસંદ કર્યા નહોતા. હકીક્તમાં, તમે તો સંખ્યામાં નાનામાં નાની પ્રજા હતા. પરંતુ પ્રભુ તમને ચાહે છે અને તમારા પૂર્વજો સાથે લીધેલા શપથ પાળવા ઈચ્છે છે તેથી જ પ્રભુએ તેમના પ્રચંડ બાહુબળથી તમને ઇજિપ્ત દેશના રાજાના સકંજામાંથી એટલે ગુલામીના બંધનમાંથી તમને છોડાવ્યા હતા. યાદ રાખો કે તમારા ઈશ્વર યાહવે એકમાત્ર ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે. તેમના પર પ્રેમ કરનારાઓ અને તેમની આજ્ઞાઓનું પાલન કરનારાઓના સંબંધમાં તેમની હજારો પેઢીઓ સુધી તે પોતાનો કરાર પાળે છે અને અવિચળ પ્રેમ દર્શાવે છે. પરંતુ તેમનો તિરસ્કાર કરનારાઓ પાસેથી સામી છાતીએ બદલો લઈને તેમનો વિના વિલંબે નાશ કરે છે. તેથી જે આજ્ઞાઓ, નિયમો અને આદેશો હું તમને આજે ફરમાવું છું તેમનું પાલન કરો. “આ આદેશો લક્ષમાં લઈને તમે તેમનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમારા ઈશ્વર પ્રભુ તમારા પૂર્વજો સમક્ષ લીધેલા શપથ પ્રમાણે તમારી સાથેના કરારનું પાલન કરશે અને તમારા પ્રત્યે અવિચળ પ્રેમ દર્શાવશે. તે તમારા પર પ્રેમ રાખશે, ને તમને આશીર્વાદ આપશે અને તમારી વંશવૃધિ કરશે અને તમારી સંતતિ વધારશે. તે તમારાં ખેતરો પર આશિષ આપશે; તેથી તમારી પાસે વિપુલ ધાન્ય, દ્રાક્ષાસવ તથા ઓલિવ તેલ હશે. વળી, તે તમને આશિષ આપશે; તેથી તમારી પાસે ઘણાં ઢોર અને ઘેટાંબકરાં થશે. તમને જે દેશ આપવાના તમારા પૂર્વજો સાથે શપથ લીધા હતા તેમાં ઈશ્વર તમને આ બધી આશિષો આપશે. અન્ય સર્વ પ્રજાઓ કરતાં તમે વિશેષ આશીર્વાદિત થશો. તમારી મધ્યે કોઈ સ્ત્રીપુરુષ અને તમારાં ઢોર મધ્યે કોઈ નરમાદા નિ:સંતાન રહેશે નહિ. પ્રભુ તમારી મધ્યેથી સર્વ રોગો દૂર કરશે; અને ઇજિપ્ત દેશમાં જે ભયાનક રોગો વિષે તમે જાણ્યું તેમાંનો કોઈ રોગ તે તમારા પર લાવશે નહિ; પણ તે તમારા શત્રુઓ પર તે લાવશે. જે પ્રજાને ઈશ્વર તમારે હવાલે કરે તેમનો સંહાર કરજો અને તેમના પ્રત્યે દયા દાખવશો નહિ. તમે તેમનાં દેવદેવીઓની પૂજા કરશો નહિ; કારણ, એ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે. “તમારા મનમાં એમ ન ધારશો કે આ પ્રજાઓ અમારા કરતાં સંખ્યામાં વિશાળ છે અને અમે તેમને હાંકી કાઢી શકીશું નહિ. તમે તેમનાથી ડરી જશો નહિ; તમારા ઈશ્વર પ્રભુએ ઇજિપ્તના રાજા ફેરોની તથા તેના લોકોની શી દશા કરી તે યાદ રાખો. તેમણે તેમના પર ઉતારેલી ભયાનક આફતો જે તમે તમારી નજરોનજર જોઈ હતી તે યાદ રાખવી; અને ચમત્કારો, અજાયબ કાર્યો અને પ્રભુએ પોતાનો હાથ લંબાવીને પોતાના પ્રચંડ બાહુબળથી તમને મુક્ત કર્યા તે પણ યાદ રાખો. જે બધી પ્રજાઓથી તમે ડરો છો તેમનો તે જ પ્રમાણે ઈશ્વર નાશ કરશે. તમારા ઈશ્વર પ્રભુ ભમરી મોકલીને જેઓ તમારાથી સંતાઈને બચી ગયા હશે તેમનો પણ વિનાશ કરશે. માટે આ શત્રુ પ્રજાઓથી ભય પામશો નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે છે; તે મહાન અને ભયાવહ ઈશ્વર છે. “તમે આગળ વધશો તેમ તેમ તમારા ઈશ્વર પ્રભુ આ પ્રજાઓને રફતે રફતે હાંકી કાઢશે. તમે તેમનો એક સામટો સંહાર કરી શકશો નહિ. કારણ, જો એમ થાય તો જંગલી પશુઓ વધી જઈને તમારે માટે જોખમકારક બની રહે. તમારા ઈશ્વર પ્રભુ તમારા શત્રુઓને તમારા હવાલે કરશે અને તેમનો વિનાશ થઈ જાય ત્યાં સુધી તેમનામાં આતંક ફેલાવશે. ઈશ્વર તેમના રાજવીઓને તમારા હાથમાં સોંપી દેશે અને તમે તેમનું નામનિશાન ભૂંસી નાખશો, તમારી સામે કોઈ ટકી શકશે નહિ અને તમે તે સૌનો વિનાશ કરશો. “તેમનાં દેવદેવીઓની મૂર્તિઓને તમારે આગમાં બાળી નાખવી. તમે તે મૂર્તિઓ ઉપરના સોનાચાંદીથી લોભાશો નહિ અને તેમને રાખી લેતા નહિ, નહિ તો તમે મૂર્તિપૂજામાં ફસાઈ જશો. તમારા ઈશ્વર પ્રભુની દૃષ્ટિમાં તો એ અત્યંત ઘૃણાસ્પદ છે. એ ઘૃણાસ્પદ મૂર્તિઓને તમારા ઘરમાં લાવશો નહિ, નહિ તો તેમના પર જે વિનાશનો શાપ છે તે તમારા પર આવી પડશે. તમારે એ મૂર્તિઓનો સદંતર તિરસ્કાર કરવો અને અત્યંત ઘૃણા કરવી; કારણ, તેઓ પ્રભુના શાપને લીધે વિનાશપાત્ર છે. “હું તમને આજે ફરમાવું છું તે બધી આજ્ઞાઓનું તમે કાળજીપૂર્વક પાલન કરો કે જેથી તમે જીવતા રહો અને વૃધિ પામો અને જે દેશ તમને આપવા વિષે તમારા પૂર્વજો સમક્ષ પ્રભુએ શપથ લીધા હતા તેમાં પ્રવેશ કરીને તેનો કબજો લો. તમને શિસ્તમાં લાવવા અને હાડમારીઓ દ્વારા તમારી ક્સોટી કરી તમારો શો ઈરાદો છે અને તમે તેમની સર્વ આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે નહિ તે જાણવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ચાલીસ વર્ષ સુધી લાંબી મુસાફરીમાં કેવી રીતે ચલાવ્યા તે યાદ રાખો. તેમણે તમને ભૂખ્યા થવા દઈને લાચાર કર્યા, પણ પછી તમે કે તમારા પૂર્વજો જે વિષે જાણતા નહોતા એવા માન્‍નાથી તમારું પોષણ કર્યું. જેથી તે તમને શીખવે કે માણસ માત્ર ખોરાકથી નહિ,પરંતુ પ્રભુના મુખે ઉચ્ચારેલી વાણી દ્વારા જીવે છે. આ ચાલીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્ત્રો ઘસાઈ ગયાં નહિ, તેમજ તમારા પગ પણ સૂજી ગયા નહિ. તેથી ધ્યાનમાં લો કે જેમ પિતા પોતાના પુત્રને શિસ્તમાં રાખે છે તે પ્રમાણે તમારા ઈશ્વર પ્રભુ તમને શિસ્તમાં રાખે છે. તે માટે તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાઓનું પાલન કરો, તેમના નિયમો પ્રમાણે વર્તો અને તેમના પ્રત્યે ભક્તિ દર્શાવો. “તમારા ઈશ્વર પ્રભુ તમને જે ઉત્તમ દેશમાં લઈ જાય છે તે આવો છે: ત્યાં નદીનાળાં તથા ખીણો અને પહાડોમાં ફૂટી નીકળતા ભૂગર્ભ ઝરાઓ છે. ત્યાં ઘઉં અને જવ પાકે છે, ત્યાં દ્રાક્ષ, અંજીર અને દાડમ થાય છે, ત્યાં ઓલિવ તેલ અને મધ ઉપજે છે. ત્યાં તમે કોઈ જાતની ક્સર વિના ખોરાક ખાશો અને ત્યાં કશાની અછત વર્તાશે નહિ. ત્યાંના ખડકોમાં લોઢું છે અને ત્યાંના ડુંગરો ખોદતાં તાંબુ મળી રહે છે. જ્યારે તમે એ વાનાંનો ઉપભોગ કરીને સંતુષ્ઠ થાઓ ત્યારે એવો એ ઉત્તમ દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને સોંપવાના છે તેને માટે તમે તેમની સ્તુતિ કરજો. “સાવધ રહેજો કે, હું તમને આજે જે આજ્ઞાઓ, નિયમો અને આદેશો ફરમાવું છું તેમનું પાલન નહિ કરતાં તમે તમારા ઈશ્વર પ્રભુને ભૂલી ન જાઓ. જ્યારે તમે આહારથી સંતુષ્ટ થાઓ, અને સારાં સારાં ઘર બાંધીને તેમાં રહેતા હો, અને તમારાં ઢોર તથા ઘેટાંબકરાંનો વિસ્તાર વધી જાય, અને તમારું સોનુંચાંદી પુષ્કળ વધી જાય અને તમારી સંપત્તિ અઢળક થાય, ત્યારે તમારું મન ગર્વિષ્ઠ ન થઈ જાય અને તમારા ઈશ્વર પ્રભુને ભૂલી ન જાઓ તે માટે સાવધ રહેજો. કારણ, એમણે જ તમને ઇજિપ્ત દેશની ગુલામીના બંધનમાંથી મુક્ત કર્યા છે. તેમણે તમને ઝેરી નાગ અને વીંછીવાળા, સૂકા અને જલવિહીન તથા વિશાળ અને ભયાનક રણમાં થઈને દોર્યા છે; અને તમારે માટે કાળમીંઢ ખડકમાંથી પાણી વહેવડાવ્યું છે; તમે કે તમારા પૂર્વજો જે વિષે જાણતા નહોતા તે માન્‍નાથી તમને રણપ્રદેશમાં પોષ્યા છે; અને છેવટે તમારું હિત થાય તે માટે તમારી પરખ કરવા હાડમારીઓથી તમને શિસ્તમાં રાખ્યા છે. જો જો મનમાં એમ ન ધારતા કે, ‘મારી પોતાની શક્તિથી અને મારે હાથે જ આ સર્વ સંપત્તિ પ્રાપ્ત કરી છે.’ પણ તમારા ઈશ્વર પ્રભુને યાદ રાખજો, કારણ કે તે જ તમને સંપત્તિ પ્રાપ્ત કરવાની શક્તિ આપે છે, અને તેમણે તમારા પૂર્વજો સમક્ષ સોગંદપૂર્વક કરેલા કરાર જેમ તે આજ સુધી પાળતા આવ્યા છે તેમ પાળશે. “જો તમે તમારા ઈશ્વર પ્રભુને ભૂલી જઈને અન્ય દેવોને અનુસરશો, તેમની ભક્તિ કરશો અને તેમને નમશો તો હું તમને ગંભીર ચેતવણી આપું છું કે તમે વિનાશ પામશો. જેમ તમારી આગળથી પ્રભુ બીજી પ્રજાઓનો વિનાશ કરવાના છે તેમ, તમારા ઈશ્વર પ્રભુની વાણી સાંભળવાનો ઈનકાર કર્યાને લીધે તે તમારો પણ વિનાશ કરશે. “હે ઇઝરાયલી લોકો, સાંભળો! આજે તમે યર્દન નદી પાર ઊતરવાના છો અને તમારા કરતાં સંખ્યામાં વિશાળ અને બળવાન પ્રજાઓના દેશમાં પ્રવેશ કરી તેનો કબજો લેવાના છો. ત્યાંનાં નગરો ગગનચુંબી, કોટવાળાં અને મોટાં છે. ત્યાંનાં લોકો ઊંચા અને કદાવર છે. તેઓ અનાક નામની રાક્ષસી જાતિના વંશજો છે. તમે તેમને વિષે જાણો છો અને તમે તેમને વિષે સાંભળ્યું છે કે ‘અનાકી લોકો સામે કોણ ટક્કર લઈ શકે?’ પરંતુ આજે તમને ખબર પડશે કે તમારા ઈશ્વર પ્રભુ પોતે ભસ્મ કરી નાખનાર અગ્નિની જેમ તમારી આગળ આગળ જશે. જેમ જેમ તમે આગેકૂચ કરશો તેમ તેમ ઈશ્વર પોતાના વચન પ્રમાણે તે પ્રજાઓનો પરાજય કરશે અને તેમને નમાવશે, જેથી તમે તેમને હાંકી કાઢીને તેમનો સત્વરે વિનાશ કરશો. “જ્યારે તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારા માર્ગમાંથી હાંકી કાઢે ત્યારે તમારા મનમાં એમ ન વિચારશો કે ‘અમારા સદાચારને લીધે પ્રભુએ અમને આ દેશનો કબજો અપાવ્યો છે.’ હકીક્તમાં તો આ પ્રજાઓની દુષ્ટતાને લીધે પ્રભુ તેમને તમારી આગળથી હાંકી કાઢવાના છે. તમારી નેકી કે તમારા સદાચારને લીધે તમે તેમના દેશનો કબજો લેવાના નથી, પરંતુ એ પ્રજાઓની દુષ્ટતાને લીધે અને તમારા પૂર્વજો અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબ સાથે શપથપૂર્વક કરેલો કરાર પૂર્ણ કરવા માટે તમારા ઈશ્વર પ્રભુ તેમને તમારી સમક્ષથી હાંકી કાઢે છે. આટલું તો સમજો કે તમારી નેકીને લીધે તમારા ઈશ્વર પ્રભુ તમને એ ફળદ્રુપ દેશનો કબજો લેવા દેતા નથી. કારણ, તમે તો હઠીલી પ્રજા છો. “રણપ્રદેશમાં તમે તમારા ઈશ્વર પ્રભુને કેવી રીતે કોપાયમાન કર્યા તે યાદ રાખો અને ભૂલશો નહિ. તમે ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા તે દિવસથી આ સ્થળે આવ્યા ત્યાં સુધી તમે પ્રભુની વિરુધ સતત વિદ્રોહ કર્યા કર્યો છે. હોરેબમાં પણ તમે પ્રભુને કોપાયમાન કર્યા હતા, અને પ્રભુ ત્યાં તમારા પર એટલા બધા કોપાયમાન થયા હતા કે તમારો વિનાશ કરી નાખવાના હતા. જે શિલાપાટીઓ પર પ્રભુએ તમારી સાથે કરેલો કરાર લખાયેલો હતો તે લેવા જ્યારે હું પર્વત પર ગયો, ત્યારે હું ત્યાં ચાલીસ દિવસ અને ચાલીસ રાત રહ્યો હતો, અને મેં કંઈપણ ખાધું કે પીધું નહોતું. પ્રભુએ મને ઈશ્વરની આંગળીથી લખાયેલી બે શિલાપાટીઓ સોંપી; તમે પર્વત પાસે એકત્ર થયા ત્યારે તે પાટીઓ પર પ્રભુએ અગ્નિ મધ્યેથી આપેલી આજ્ઞાઓ લખેલી હતી. ચાલીસ દિવસ અને ચાલીસ રાત વીત્યા પછી પ્રભુએ મને એ બે શિલાપાટીઓ એટલે કરારની પાટીઓ આપી હતી. પછી પ્રભુએ મને કહ્યું, ‘આ પર્વત પરથી ઊતરીને જલદી જા. કારણ, તારા જે લોકોને તું ઇજિપ્તમાંથી દોરી લાવ્યો છે તેઓ વંઠી ગયા છે. મેં તેમને જે માર્ગ અનુસરવાની આજ્ઞા આપી હતી તેમાંથી તેઓ જલદી ભટકી ગયા છે, અરે, તેમણે તો પોતાને માટે મૂર્તિ બનાવી છે!’ “પ્રભુએ મને એમ પણ કહ્યું, ‘આ પ્રજા કેવી હઠીલી છે તે હું બરાબર જાણું છું. તું મને વારીશ નહિ, મને તેમનો નાશ કરી નાખવા દે અને આકાશ તળેથી તેમનું નામનિશાન ભૂંસી નાખવા દે; અને તારામાંથી હું તેમના કરતાંય વિશાળ અને બળવાન પ્રજા ઉત્પન્‍ન કરીશ.’ “તેથી બે હાથમાં કરારની બે પાટીઓ લઈને હું પર્વત પરથી પાછો નીચે ઊતરવા લાગ્યો, તે સમયે પર્વત અગ્નિની જ્વાળાઓથી ભભૂક્તો હતો. પછી મેં જોયું તો તમે પોતાને માટે વાછરડાની મૂર્તિ બનાવીને પ્રભુની વિરુધ પાપ કર્યું હતું. તેથી મારા બે હાથમાંની પાટીઓ ઊંચકીને મેં તમારા દેખતાં તેમને પછાડીને ભાંગી નાખી. પ્રભુની દૃષ્ટિમાં ઘૃણાસ્પદ મૂર્તિ બનાવવાનું મોટું પાપ કરવાને લીધે તે તમારા પર કોપાયમાન થયા હતા; તેથી હું પ્રભુ આગળ ઝૂકી પડયો અને ફરીથી તેમના સાંનિધ્યમાં ચાલીસ દિવસ અને ચાલીસ રાત નતમસ્તકે પડી રહ્યો; મેં ન તો કંઈ ખોરાક ખાધો કે ન તો કંઈ પાણી પીધું. પ્રભુ તમારા પર એવા તો કોપાયમાન અને નારાજ થયા હતા કે તે તમારો સંહાર કરી નાખશે એવો મને ડર હતો. તે વખતે પણ તેમણે મારી વિનંતી માન્ય રાખી. પ્રભુને આરોન પર પણ એટલો બધો ક્રોધ વ્યાપ્યો હતો કે તેમણે તેનો નાશ કરી નાખ્યો હોત, એટલે મેં તે સમયે આરોન માટે પણ પ્રાર્થના કરી હતી. તમે જે પેલી પાપકારક વસ્તુ, એટલે વાછરડાની મૂર્તિ બનાવી હતી તેને મેં આગમાં નાખી અને પછી તેનો કુટીને ધૂળ જેવો બારીક ભૂકો કર્યો અને તે ભૂકો પર્વતમાંથી નીકળીને તળેટી તરફ વહેતા એક ઝરણામાં નાખ્યો. “તમે તાબએરા, માસ્સા અને કિબ્રોથ-હાત્તાવા આગળ પણ પ્રભુને કોપાયમાન કર્યા હતા. અને જ્યારે પ્રભુએ તમને કાદેશ-બાર્નિયાથી એવી આજ્ઞા આપીને મોકલ્યા કે, ‘ચડાઈ કરો અને જે દેશ હું તમને વતન તરીકે આપું છું તેનો કબજો લો.’ ત્યારે પણ તમે પ્રભુની આજ્ઞાનો અનાદર કર્યો. તમે તેમના પર વિશ્વાસ કર્યો નહિ, તેમજ તેમની વાણી સાંભળી નહિ. જ્યારથી હું તમને ઓળખતો થયો ત્યારથી તમે પ્રભુ સામે બંડખોર જણાયા છો. “તેથી પ્રભુ તમારો નાશ કરવાના હતા ત્યારે અગાઉની જેમ હું ચાલીસ દિવસ અને ચાલીસ રાત પ્રભુના સાંનિધ્યમાં ભૂમિ પર નતમસ્તકે પડી રહ્યો.” અને મેં પ્રભુને પ્રાર્થના કરી, “હે પ્રભુ પરમેશ્વર, તમારા લોક, જે તમારો વારસો છે અને જેમને તમે તમારા મહાન સામર્થ્યથી ઉગાર્યા અને તમારા પ્રચંડ બાહુબળ વડે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા તેમનો નાશ ન કરો. તમારા સેવકો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને સંભારો, અને આ પ્રજાની હઠીલાઈ, તેમની દુષ્ટતા કે તેમનાં પાપ તરફ ન જુઓ. કદાચ, ઇજિપ્ત દેશના લોકો એમ કહે કે, તમે તમારા લોકને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તેમને લઇ જઇ શક્યા નહિ. તેઓ એવું પણ કહેશે કે તમને તમારા લોક પ્રત્યે તિરસ્કાર હોવાથી તમે તેમનો સંહાર કરવા તેમને રણપ્રદેશમાં લઈ ગયા. છતાં આ તો તમારા પોતાના લોક તથા તમારો વારસો છે કે જેમને તમે તમારા મહાન સામર્થ્ય વડે અને તમારો હાથ લંબાવીને મુક્ત કર્યા છે. “તે સમયે પ્રભુએ મને કહ્યું, ‘તું પહેલાની જેવી બીજી બે શિલાપાટીઓ ઘડ અને તેમને લઈને મારી પાસે પર્વત પર આવ. તે પાટીઓ મૂકવા માટે લાકડાની એક કરારપેટી પણ બનાવ. તેં ભાંગી નાખેલી પ્રથમ પાટીઓ પર જે લખાણ હતું તે હું આ નવી પાટીઓ પર લખીશ; પછી તું તેમને કરારપેટીમાં મૂકજે.’ “તેથી મેં બાવળના લાકડાની એક પેટી બનાવી અને પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી અને એ બે શિલાપાટીઓ મારા હાથમાં લઈ હું પર્વત પર ચડયો. જે દશ આજ્ઞાઓ પ્રભુએ તમે એકત્ર થયા તે દિવસે પર્વત ઉપર અગ્નિ મધ્યેથી કહી હતી તે તેમણે પાટીઓ પર પહેલા લખાણ પ્રમાણે લખી અને પ્રભુએ તે પાટીઓ મને આપી. પછી હું પર્વત પરથી પાછો ઊતર્યો, અને પ્રભુના ફરમાવ્યા પ્રમાણે તે પાટીઓ મેં બનાવેલી પેટીમાં મૂકી અને ત્યારથી તે તેમાં છે. “ઇઝરાયલીઓ યાકાનીઓના કૂવાઓ પાસેથી નીકળીને મોસેરા આવી પહોંચ્યા. ત્યાં આરોન મૃત્યુ પામ્યો અને ત્યાં તેનું દફન થયું; અને તેની જગ્યાએ તેના પુત્ર એલાઝારે યજ્ઞકારપદની સેવા સંભાળી. ત્યાંથી નીકળીને તેઓ ગુદગોદા તરફ ગયા, અને ગુદગોદાથી નીકળીને તેઓ યોટાબામાં ગયા; જ્યાં પાણીના ઘણાં ઝરણાં હતાં. તે સમયે પ્રભુએ લેવીના વંશજોને પ્રભુના કરારની પેટી ઊંચકવા, પ્રભુની સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા અને પ્રભુને નામે આશીર્વચન ઉચ્ચારવા નીમ્યા; અને આજે પણ તેઓ તેમની એ ફરજો બજાવે છે. પોતાના જાતબધુંઓની સાથે લેવીના વંશજોને જમીનમાં કંઈ ભાગ કે વારસો મળ્યો નહિ; પણ, પ્રભુએ તેમને કહ્યું, ‘હું પોતે જ તમારા વારસાનો હિસ્સો છું.’ “અને પહેલાંની જેમ હું ચાલીસ દિવસ અને ચાલીસ રાત પર્વત પર રોક્યો અને એ વખતે પણ પ્રભુએ મારી પ્રાર્થના સાંભળીને તમારો વિનાશ કર્યો નહિ. પછી પ્રભુએ મને કહ્યું, ‘જા, લોકોની આગળ જા, જેથી જે દેશ આપવાના મેં તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા તેમાં પ્રવેશીને તેઓ તેનો કબજો લે.’ “હવે હે ઇઝરાયલીઓ, તમારા ઈશ્વર પ્રભુ તમારી પાસે શી અપેક્ષા રાખે છે? એ જ કે તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ દાખવો, સર્વ બાબતમાં તેમના ચીંધેલા માર્ગે ચાલો, તેમના પર પ્રેમ રાખો અને તમારા પૂરા દયથી અને પૂરા જીવથી તમારા ઈશ્વર પ્રભુની સેવા કરો, અને પ્રભુની જે આજ્ઞાઓ અને આદેશો તમારા હિતાર્થે હું આજે તમને ફરમાવું તેનું પાલન કરો. *** જો કે આકાશ અને સર્વોચ્ચ આકાશ અને પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તમારા ઈશ્વર પ્રભુનાં છે, તો પણ પ્રભુને તમારા પૂર્વજો સાથે પ્રેમની લગની લાગી, એટલે અન્ય બધી પ્રજાઓ કરતાં તેમણે તેમના વંશજો તરીકે તમને પસંદ કર્યા; અને એવું આજે પણ છે. તેથી તમારાં હૃદયોની સુન્‍નત કરો અને તમારી હઠીલાઇ છોડી દો. તમારા ઈશ્વર પ્રભુ દેવાધિદેવ અને પ્રભુઓના પ્રભુ, મહાન, પરાક્રમી અને ભયાવહ પરમેશ્વર છે. તે કદી પક્ષપાત કરતા નથી કે લાંચ લેતા નથી; વળી, તે અનાથ અને વિધવાના હક્કની હિમાયત કરે છે અને પરદેશી પર પ્રેમ રાખીને તેમને અન્‍નવસ્ત્ર પૂરાં પાડે છે. માટે તમે પણ પરદેશી પર પ્રેમ રાખજો; કારણ, તમે પણ ઇજિપ્તમાં પરદેશી હતા. “તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ દાખવો અને માત્ર તેમની જ ભક્તિ કરો અને તેમને દૃઢતાથી વળગી રહો અને તેમને નામે જ શપથ લો. તમે તેમની જ પ્રશંસા કરો; કારણ તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા દેખતાં તમારે માટે મહાન અને આશ્ર્વર્યકારક કાર્યો કર્યાં છે. તમારા પૂર્વજો ઇજિપ્તમાં ગયા ત્યારે તેઓ માત્ર સિત્તેર જણ હતાં, પરંતુ તમારા ઈશ્વર પ્રભુએ તમને આકાશના તારા જેટલા અસંખ્ય બનાવ્યા છે. “એ માટે તમે તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખો અને તેમનાં ફરમાનો, હુકમો, આદેશો તથા આજ્ઞાઓનું હરહંમેશ પાલન કરો. વળી, પ્રભુ તેમનાં કાર્યો દ્વારા તમને જે પાઠ શીખવવા માગતા હતા તે લક્ષમાં લો. કારણ, તમારા સંતાનોએ નહિ, પણ તમે પોતે બધું જોયું અને જાણ્યું છે. પ્રભુની મહત્તા તેમજ પોતાનો ભૂજ લંબાવીને પ્રચંડ બાહુબળથી તેમણે તમારો છુટકારો કર્યો તે તમે જોયાં છે. ઇજિપ્તમાં ત્યાંના રાજા ફેરો અને તેના સમગ્ર દેશ વિરુધના તેમના ચમત્કારો અને અદભુત કાર્યો તમે જોયાં. ઇજિપ્તના સૈન્યે તમારો પીછો કર્યો ત્યારે તેમના પર સૂફ સમુદ્રનાં પાણી ફેરવી વાળીને તેમની, તેમના ઘોડાઓની અને તેમના રથોની કેવી દુર્દશા કરી તે તમે જોયું. છેક આજ સુધી પ્રભુએ તેમનો સંહાર કર્યા કર્યો તે પણ તમે જોયું. તમે અહીં આવી પહોંચ્યા ત્યાં સુધી તેમણે તમારે માટે રણપ્રદેશમાં કરેલાં સર્વ કાર્યો પણ તમે જોયાં. એ ઉપરાંત રૂબેનકુળના એલિયાબના પુત્રો દાથાન અને અબિરામની તેમણે કેવી દુર્દશા કરી એટલે કે સર્વ ઇઝરાયલીઓના દેખતાં પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેમને, તેમના પરિવારોને, તેમના નોકરચાકરને અને ઢોરઢાંકને ગળી ગઈ એ પણ તમે જોયું.’ પ્રભુનાં એ બધાં મહાન કાર્યો તમે નજરોનજર જોયાં છે. “માટે જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન કરો કે જેથી યર્દનની સામે પાર જઈને તમે જે દેશ વારસા તરીકે મેળવવા માગો છો તેને કબજે કરવાનું તમને બળ પ્રાપ્ત થાય. અને દૂધમધની રેલમછેલવાળા જે દેશ વિષે પ્રભુએ તમારા પૂર્વજો આગળ શપથ લીધા હતા કે પ્રભુ તે તેમને અને તેમના પછી તેમના વંશજોને આપશે તેમાં તમે લાંબો સમય વસો. જે દેશમાં પ્રવેશીને તમે તેનો કબજો લેવાના છો તે દેશ તમે જ્યાંથી નીકળી આવ્યા તે ઇજિપ્ત દેશ જેવો નથી. ત્યાં તો તમે અનાજ વાવતા ત્યારે તમારા પગના પરિશ્રમથી શાકભાજીની વાડીની જેમ ખેતરોને પાણી પાતા. પરંતુ જે દેશનો તમે કબજો લેવા જઈ રહ્યા છો, તે તો પહાડો અને ખીણોનો પ્રદેશ છે અને વરસાદના પાણીથી સિંચાય છે. તમારા ઈશ્વર પ્રભુ તે દેશની કાળજી રાખે છે; અને આરંભથી અંત સુધી આખા વર્ષ પર્યંત તમારા ઈશ્વર તેની સતત દેખભાળ કરે છે. “જુઓ, આજે હું તમને મારી જે આજ્ઞાઓ ફરમાવું છું તે ધ્યનથી સાંભળીને તમે તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખશો, અને તમારા સાચા દયથી અને પૂરા મનથી તેમની ભક્તિ કરશો તો, પ્રભુ ઋતુ પ્રમાણે આગલો તથા પાછલો વરસાદ મોકલશે; જેથી તમે તમારાં ધાન્ય, દ્રાક્ષાસવ અને તેલનો સંગ્રહ કરી શકો. તે તમારાં ઢોરઢાંક માટે ખેતરોમાં ઘાસ પણ ઉગાવશે. તમે ખાઈને તૃપ્તિ પામો, ત્યારે સાવધ રહેજો કે તમારું મન લલચાઈ ન જાય અને તમે ભટકી જઈને અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરવા ન લાગો. નહિ તો પ્રભુનો કોપ તમારી વિરુધ ભભૂકી ઊઠશે. તે આકાશને બંધ કરી દેશે અને વરસાદ પડશે નહિ અને જમીનમાંથી કશું ઉપજશે નહિ અને જે ફળદ્રુપ દેશ પ્રભુ તમને આપવાના છે તેમાં તમારો જલદીથી નાશ થઈ જશે! “માટે આ આજ્ઞાઓ તમારા દયપટ પર લખી રાખો અને તમે તેમને યાદગીરી તરીકે તમારાં હાથ પર બાંધો અને તમારા કપાળની વચ્ચે તેમને આભૂષણ તરીકે પહેરો. તમારાં સંતાનોને તે ખંતથી શીખવો; તમે ઘરમાં બેઠા હો કે મુસાફરીએ હો; આરામ લેતા હો કે કામ કરતા હો, પણ તમે હંમેશા તેમનું રટણ કરો. વળી, તમે તેમને તમારાં મકાનોની બારસાખો ઉપર તથા નગરના દરવાજાઓ ઉપર લખો. જેથી જે દેશ તમારા પૂર્વજોને આપવા વિષે પ્રભુએ શપથ લીધા તેમાં તમે અને તમારાં સંતાનો આકાશ હયાત રહે ત્યાં સુધી પૃથ્વી પર દીર્ઘ સમય વાસ કરો. “આ જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તેમનું તમે ખંતથી પાલન કરશો અને ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખશો, તેમના સર્વ માર્ગમાં ચાલશો અને તેમને દૃઢતાથી વળગી રહેશો; તો તમે જેમ જેમ આગળ વધો તેમ તેમ પ્રભુ આ બધી પ્રજાઓને હાંકી કાઢશે અને તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાઓની ભૂમિનો તમે કબજો લેશો. તમે જ્યાં જ્યાં કૂચ કરશો તે બધી જમીન તમારી પોતાની થશે. દક્ષિણે રણપ્રદેશથી ઉત્તરે લબાનોન પર્વત સુધી અને પૂર્વમાં યુફ્રેટિસ નદીથી પશ્ર્વિમે ભૂમધ્ય સમુદ્ર સુધી તમારી સરહદ વિસ્તરશે. તમારા ઈશ્વર પ્રભુ તેમના વચન પ્રમાણે સમગ્ર વિસ્તારમાં તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં ત્યાં તે લોકોમાં તમારો ભય અને ધાક બેસાડશે અને તમારી સામે કોઈ માણસ ટકી શકશે નહિ. “જુઓ, હું આજે તમને આશિષ અને શાપ વચ્ચે પસંદગીની તક આપું છું. તમારા ઈશ્વર પ્રભુની મેં ફરમાવેલી આજ્ઞાઓનું તમે પાલન કરશો તો તમે આશિષ પામશો. પરંતુ તમે તમારા ઈશ્વર પ્રભુની મેં ફરમાવેલી આજ્ઞાઓ તોડીને જેમનો તમને અનુભવ નથી એવા દેવદેવીઓની પાછળ ભટકી જશો તો તમે શાપ પામશો. “જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમને તમારા ઈશ્વર પ્રભુ લઈ જાય ત્યારે તમે ગરીઝીમ પર્વત પરથી આશીર્વાદ ઉચ્ચારજો અને એબાલ પર્વત પરથી શાપ ઉચ્ચારજો. (આ બે પર્વતો યર્દન નદીની પેલે પાર પશ્ર્વિમ તરફના રસ્તા તરફ, મોરેના પવિત્ર એલોન વૃક્ષોની નજીક ગિલ્ગાલની સામેના કનાનીઓના વસવાટના વિસ્તાર અરાબાના પ્રદેશમાં આવેલા છે.) તમે યર્દન નદી પાર કરવાના છો અને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ સોંપે છે તેનો કબજો લેવાના છો. જ્યારે તમે એ દેશનો કબજો લો અને ત્યાં વાસ કરો, ત્યારે જે સર્વ આજ્ઞાઓ અને આદેશો હું આજે તમને આપું છું તેમનું ખંતથી પાલન કરજો. “તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસા તરીકે આપે છે તેમાં તમે આ પૃથ્વી પર જીવો ત્યાં સુધી તમારે આ નિયમો અને આદેશો ખંતથી પાળવા. જે દેશ તમે કબજે કરવાના છો ત્યાં ઊંચા પર્વતો પર, ટેકરાઓ પર અને લીલાંછમ વૃક્ષો તળે જ્યાં જ્યાં ત્યાંની પ્રજાઓ તેમના દેવોની પૂજા કરે છે તે બધાં સ્થાનકોનો તમારે અચૂક નાશ કરવો. તમારે તેમની વેદીઓ તોડી પાડવી; તેમના પવિત્ર સ્તંભો ભાંગી નાખવા અને અશેરા દેવીના પ્રતીકરૂપ લાકડાના સ્તંભો આગમાં બાળી નાખવા અને તેમના દેવોની મૂર્તિઓને કાપી નાખવી. એમ તમારે ત્યાંથી તેમનું નામનિશાન ભૂંસી નાખવું. “પણ તમારે એ રીતે તમારા ઈશ્વર પ્રભુની અહીંતહીં ભક્તિ કરવી નહિ; પણ સર્વ કુળોને ફાળવેલ પ્રદેશમાંથી તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરવા માટે અને તેમના વસવાટ માટે જે એક સ્થળ તે પસંદ કરે ત્યાં જ તમારે ભક્તિ માટે એકત્ર થવું અને ત્યાં જ તમારે જવું. એ જ સ્થાને તમારે તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારા દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ, તમારી માનતાનાં અર્પણો તથા તમારાં સ્વૈચ્છિક-અર્પણો તથા તમારા ઢોરઢાંકનાં તેમજ તમારાં ઘેટાંબકરાંનાં પ્રથમ બચ્ચાંના બલિ ચડાવવા, અને ત્યાં તમારા ઈશ્વર પ્રભુના સાંનિધ્યમાં તમારે બધાંએ જમવું અને પ્રભુના આશિષને લીધે તમને તમારાં બધાં કાર્યોમાં મળેલી સફળતાને લીધે આનંદોત્સવ કરવો. “ત્યારે તમારે અત્યારની જેમ વર્તવું નહિ. અત્યારે તો પ્રત્યેક માણસ પોતાને ઠીક લાગે છે તેમ વર્તે છે; કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમને આપવાના છે તે વિશ્રામ અને વારસાના દેશમાં તમે હજુ પહોંચ્યા નથી. જ્યારે તમે યર્દનની પેલે પાર જઈને તમારા ઈશ્વર પ્રભુ તમને વારસા તરીકે આપે, એ દેશમાં જઈને વસવાટ કરો, અને તે તમને આસપાસના તમારા શત્રુઓથી સહીસલામત અને શાંતિમાં રાખે, ત્યારે તમારે તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે એક સ્થાન પસંદ કરે ત્યાં તમારે હું ફરમાવું છું તે સર્વ અર્પણો લાવવાં; એટલે કે, તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારાં દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ અને પ્રભુ પ્રત્યે માનેલી સર્વ વિશિષ્ટ માનતાઓનાં અર્પણ તમારે લાવવાં. તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકર અને તમારી સાથે જમીનનો વારસો કે હિસ્સો મળ્યો નહિ હોવાથી તમારા નગરમાં વસતા લેવીઓએ પ્રભુના સાનિધ્યમાં આનંદોત્સવ કરવો. સાવધ રહેજો અને તમારાં દહનબલિ ગમે તે સ્થાને ચડાવશો નહિ. પરંતુ તમારાં કુળોના પ્રદેશમાંથી પ્રભુ જે એક સ્થાન પસંદ કરે ત્યાં જ તમારે દહનબલિ અને મેં ફરમાવેલાં અન્ય બધાં અર્પણો ચડાવવાં. “તો પણ, જ્યાં કંઈ તમે વસતા હો ત્યાં પ્રભુની આશિષથી મળેલાં પ્રાણીઓમાંથી તેમનો વધ કરીને તમને માંસ ખાવાની છૂટ છે. તમે વિધિપૂર્વક શુધ હો કે અશુધ હો તો પણ તમે હરણ કે સાબર જેવાં બધાં શુધ પ્રાણીનું માંસ ખાઈ શકો છો. માત્ર તમારે લોહી ખાવું નહિ. તે તો તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું. પરંતુ તમે તમારાં રહેઠાણોમાં પ્રભુને અર્પિત કરેલી કોઈ પણ ખાદ્ય ચીજો જેવી કે તમારા ધાન્ય, દ્રાક્ષાસવ કે તેલનો દશાંશ, તમારાં ઢોરઢાંક કે ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલા બચ્ચાં, પ્રભુ પ્રત્યે માનેલી માનતાનું અર્પણ તથા તમારાં સ્વૈચ્છિક અર્પણો કે તમારાં વિશિષ્ટ અર્પણો ખાઈ શકો નહિ. તમારે, તમારાં પુત્રપુત્રીઓએ, તમારા નોકરચાકરો તથા તમારા નગરમાં વસતા લેવીએ આ અર્પણો તમારા ઈશ્વર પ્રભુ જે એક સ્થાન પસંદ કરે ત્યાં તેમના સાંનિધ્યમાં ખાવાં અને તમારાં કાર્યોમાં મળેલી સફળતા માટે પ્રભુ સમક્ષ આનંદોત્સવ કરવો. તમે એ દેશમાં વાસ કરો ત્યાં સુધી લેવીઓનો ત્યાગ ન કરો તે માટે તમે પોતે સાવધ રહેજો. “તમારા ઈશ્વર પ્રભુ તેમના વચન પ્રમાણે તમારી સીમા વિસ્તારે અને તમને માંસ ખાવાની ઇચ્છા થઈ આવી હોવાથી તમે કહો કે, ‘મારે માંસ ખાવું છે,’ ત્યારે તમને ધરાઈને માંસ ખાવાની છૂટ છે. તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે સ્થાન પસંદ કરે તે તમારા રહેઠાણથી ઘણે દૂર હોય તો મેં અગાઉ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તમારે તમારા રહેઠાણમાં પ્રભુએ તમને આપેલા ઢોરઢાંક તથા ઘેટાંબકરાંમાંથી કાપીને સંતુષ્ટ થતાં સુધી માંસ ખાવું. વિધિપૂર્વક શુધ હોય કે અશુધ હોય તેવો પ્રત્યેક જણ બધાં પ્રાણીનું, અરે, હરણ કે સાબરનું માંસ પણ ખાઈ શકે છે. માત્ર એટલી કાળજી રાખજો કે માંસ સાથે લોહી ખાવામાં ન આવે. કારણ, લોહીમાં જીવન છે અને તમારે માંસ સાથે જીવ ખાવો નહિ. તમારે લોહી ખાવું નહિ, પણ પાણીની જેમ તેને જમીન પર રેડી દેવું. જો લોહી ન ખાઓ, તો એ આજ્ઞાપાલનથી પ્રભુ તમારા પર પ્રસન્‍ન રહેશે અને તમારું તથા તમારા વંશજોનું કલ્યાણ થશે. પરંતુ તમારાં પવિત્ર અર્પણો અને તમારી માનતાઓ તો પ્રભુ જે સ્થાન પસંદ કરે ત્યાં જ લઈ જવાં. ત્યાં તમારા ઈશ્વર પ્રભુની વેદી પર તમારે તમારાં દહનબલિ લોહી અને માંસ સહિત ચડાવવા; તમારાં બલિદાનોનું લોહી તમારા ઈશ્વર પ્રભુની વેદીએ રેડી દેવું, પણ તે માંસ તમારે ખાવું. આ જે બધી આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે ધ્યનથી સાંભળો; જેથી પ્રભુની દૃષ્ટિમાં સારું અને યથાર્થ વર્તન કર્યાથી તમારું અને તમારા વંશજોનું સદા સર્વદા કલ્યાણ થાય. “જે પ્રજાઓના પ્રદેશનો કબજો લેવા તમે જાઓ છો તેમને જ્યારે તમારા ઈશ્વર પ્રભુ તમારી આગળથી નાબૂદ કરે અને તમે તેમના દેશનું વતન પામીને ત્યાં વસવાટ કરો; ત્યારે તમે તમારી આગળથી એ પ્રજાઓનો નાશ થઈ ગયા પછી તમે પોતે ફાંદામાં ફસાઇ જઈને, ‘એ લોકો તેમના દેવોની ભક્તિ કેવી રીતે કરતા હતા તે જાણી લેવા દે કે જેથી હું પણ એ પ્રમાણે કરું’ એવું કહીને તમે તપાસ ન કરો એ માટે સાવધ રહેજો. તેઓ તેમનાં દેવદેવીઓની પૂજા કરે છે તે પ્રમાણે તમે તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરશો નહિ; કારણ, તેઓ તો તેમના દેવો માટે જે કાર્યો કરે છે તે પ્રભુની દૃષ્ટિમાં ઘૃણાસ્પદ અને તિરસ્કારપાત્ર છે. અરે, તેઓ તો તેમના દેવોની વેદીઓ પર પોતાનાં બાળકોનું અગ્નિમાં અર્પણ કરે છે! હું તમને જે જે આજ્ઞાઓ આપું છું તે સર્વનું તમારે કાળજીપૂર્વક પાલન કરવું; તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ. “જો તમારી મધ્યે કોઈ સંદેશવાહક અથવા સ્વપ્નદષ્ટા ઊભો થાય, અને કોઈ અજાયબ ઘટના કે ચમત્કાર વિષે આગાહી કરે અને તેની આગાહી સાચી પડે અને એ પરથી તે તમને તમારાથી અજાણ્યાં અન્ય દેવદેવીઓને અનુસરવા અને તેમની પૂજા કરવા સમજાવે, તો પણ તમે તે સંદેશવાહકના શબ્દો કે તે સ્વપ્નદષ્ટાની વાત પર ધ્યાન આપશો નહિ. તમારા ઈશ્વર પ્રભુ તેના દ્વારા તમારી ક્સોટી કરે છે કે તમે તમારા ઈશ્વર પ્રભુ પર તમારા પૂરા દયથી અને સાચા મનથી પ્રેમ રાખો છો કે નહિ તે જણાઈ આવે. તમે તમારા ઈશ્વર પ્રભુને અનુસરો, તેમના પ્રત્યે પૂજ્યભાવ દાખવો, તેમની આજ્ઞાઓનું પાલન કરો અને તેમની વાણીને આધીન રહો, તેમની સેવાભક્તિ કરો અને તેમને જ વળગી રહો. એવો સંદેશવાહક કે સ્વપ્નદષ્ટા તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરી બહાર લાવનાર તમારા ઈશ્વર પ્રભુ વિરુધ તમને ઉશ્કેરે છે અને જે માર્ગે ચાલવાની તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા કરી છે, તેમાંથી તમને ભટકાવી દેવા માગે છે. તેથી તમારે એને મારી નાખવો, અને એ રીતે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. “જો તમારો સગો ભાઈ, તમારો પુત્ર કે તમારી પુત્રી, તમારી પ્રિય પત્ની કે તમારો દિલોજાન મિત્ર તમને ખાનગીમાં લલચાવે અને જે દેવદેવીઓને તમે જાણતા નથી કે તમારા પૂર્વજો પણ જાણતા નહોતા તેમને વિષે કહે કે, ‘ચાલો, આપણે એમની પૂજા કરીએ’; પછી દેવદેવીઓની પૂજા કરનાર પ્રજાઓ તમારી આસપાસ નજીક રહેતી હોય કે તમારાથી દૂર પૃથ્વીના છેડે વસતી હોય; તોપણ તમારે એવાંની વાત સ્વીકારવી કે સાંભળવી પણ નહિ. તમારી આંખ તેના પર દયા દર્શાવે નહિ. તમારે તેને બચાવવો કે સંતાડવો નહિ; પરંતુ તમારે તેને જરૂર મારી નાખવો. બલ્કે એવી વ્યક્તિનો ઘાત કરવા વ્યક્તિગત રીતે પ્રથમ હાથ તમારે જ ઉપાડવો અને ત્યાર પછી બીજા બધા લોકો હાથ ઉપાડે. તમારે તેનો પથ્થરો મારીને ઘાત કરવો. કારણ, તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરીને ત્યાંથી દોરી લાવનાર તમારા ઈશ્વર પ્રભુ પાસેથી તમને ભટકાવી દેવાનો તેણે પ્રયત્ન કર્યો છે. ત્યારે સમસ્ત ઇઝરાયલી લોકો એ વિષે સાંભળીને ભય પામશે, અને તમારી મધ્યે કોઈ એવી દુષ્ટતા ફરીવાર કરશે નહિ. “તમારા ઈશ્વર પ્રભુ તમને વસવાટને માટે જે નગરો આપે, તેમાંના કોઈ નગર વિષે તમારા સાંભળવામાં આવે કે, તમારામાંના કેટલાક અધમ માણસોએ એ નગરના લોકોને, તેઓ જેમને કદી જાણતા નહોતા તેવાં દેવદેવીઓની પૂજા કરવા પ્રેર્યા છે, તો તમારે તે વાત વિષે ચોક્સાઈપૂર્વક તપાસ કરવી, અને એ વાત સાચી હોય કે તમારી મધ્યે એ ઘૃણાસ્પદ કામ થયું છે, તો તમારે તે નગરના બધા રહેવાસીઓનો તથા તેમનાં ઢોરઢાંકનો તલવારથી સંહાર કરવો. તમારે તે નગરનો સંપૂર્ણ નાશ કરવો. તે નગરની લૂંટેલી બધી વસ્તુઓનો નગરના ચોકની વચમાં ઢગલો કરવો અને પછી તમારા ઈશ્વર પ્રભુને સમર્પણ તરીકે તે નગર તથા તેનાં સર્વસ્વને અગ્નિમાં પૂરેપૂરાં બાળી નાખવાં. તે નગર કાયમને માટે ખંડિયેરનો ઢગલો બની રહે, અને ફરી કદી બંધાય નહિ. પૂરા વિનાશને માટે શાપિત થયેલી એમાંની કોઈ પણ વસ્તુ તમારે રાખી લેવી નહિ; કારણ, ત્યારે જ તમારા ઈશ્વર પ્રભુના કોપનું શમન થશે અને તે તમારા પર દયા કરશે. તે તમારા પ્રત્યે કરુણાળુ થશે અને તમારા પૂર્વજો સમક્ષ લીધેલા શપથ પ્રમાણે તમારી વંશવૃધિ કરશે. તમે તમારા ઈશ્વર પ્રભુની જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનું ખંતથી પાલન કરો અને તેમની દૃષ્ટિમાં જે સાચું છે તે કરો ત્યારે તેમ બનશે. “તમે તમારા ઈશ્વર પ્રભુનાં સંતાન છો. તેથી મરેલાં માટે શોક પાળવામાં તમે તમારા અંગ પર ઘા કરો નહિ, કે તમારા માથાનો અગ્રભાગ મૂંડાવો નહિ. કારણ, તમે તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા છો અને પૃથ્વીના પટ પરની સર્વ પ્રજાઓમાંથી પ્રભુએ તમને પોતાના વિશિષ્ટ લોક થવા પસંદ કર્યા છે. “પ્રભુએ અશુધ ઠરાવેલી કોઈ ચીજ તમારે ખાવી નહિ. તમને આ પ્રાણીઓનું માંસ ખાવાની છૂટ છે: ઢોરઢાંક, ઘેટાંબકરાં, સાબર તથા હરણ, કાળિયાર અને જંગલી બકરાં; પહાડી હરણ, છીંકારા તથા પહાડી ઘેટાં. બે ભાગમાં હોય એવી ફાટવાળી ખરીવાળાં અને વાગોળનારાં બધાં પ્રાણી તમને ખાવાની છૂટ છે. પરંતુ માત્ર ફાટેલી ખરીવાળાં જ હોય અથવા માત્ર ખોરાક વાગોળનાર જ હોય એવાં પ્રાણી ખાવાની છૂટ નથી. ઊંટ, સસલાં તથા ઘોરખોદિયું તમારે ન ખાવાં. કારણ, તેઓ વાગોળે છે ખરાં, પણ તેમની ખરી ફાટેલી હોતી નથી. એ તમારે માટે અશુધ છે. તમારે ડુક્કરનું માંસ પણ ખાવું નહિ. કારણ, તેમની ખરી ફાટેલી છે ખરી, પણ તે વાગોળનાર પ્રાણી નથી તેથી તે તમારે માટે અશુધ છે. આ પ્રાણીઓનું માંસ તમારે ખાવું નહિ કે તેમનાં મુડદાંનો તમારે સ્પર્શ કરવો નહિ. “જળચર પ્રાણીઓમાંથી જેમને ભીંગડા હોય તે બધાં તમે ખાઈ શકો છો. પણ જળચર પ્રાણીઓ પૈકી જે ભીંગડાં વગરનાં હોય તે ખાવાની મના છે. એ તમારે માટે અશુધ છે. “સર્વ શુધ પક્ષીઓ ખાવાની છૂટ છે. પરંતુ તમને આ પક્ષીઓ ખાવાની છૂટ નથી: *** ગરૂડ, દાઢીવાળો ગીધ, કાળું ગીધ, સમડી, બાજ, કલીલની પ્રત્યેક જાત, દરેક જાતના કાગડા, શાહમૃગ, રાતશકરી, શાખાફ, શકરાની પ્રત્યેક જાત, ચીબરી, ધુવડ, રાજહંસ, ઢીંચ, કરઢોક, બગલા, હંસ, ભોંયખોદિયું અને વાગોળ. *** *** *** *** *** “સર્વ પાંખવાળા જીવજંતુ તમારે માટે અશુધ છે તે ખાશો નહિ. પણ સર્વ શુધ પક્ષી ખાવાની તમને છૂટ છે. “કુદરતી રીતે મરી ગયેલા પ્રાણીનું મુડદાલ માંસ તમારે ખાવું નહિ. તમારી વચમાં વસતા પરદેશીને તમે તે ખાવા આપી શકો છો અથવા બીજા પરદેશીઓને તે મુડદાલ વેચી શકો છો પરંતુ તમારે તે ખાવું નહિ; કારણ, તમે તો તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા છો. “બકરીના કે ઘેટાના બચ્ચાને તેની માના દૂધમાં તમે બાફશો નહિ. “તમારા ખેતરમાં દર વર્ષે થતી સઘળી પેદાશનો દશમો ભાગ તમારે અલગ કાઢવો. પછી તમારા ઈશ્વર પ્રભુ તેમના નામની સ્થાપના માટે જે સ્થાન પસંદ કરે ત્યાં તમારે જવું અને ત્યાં પ્રભુના સાનિધ્યમાં તમારા ધાન્યનો, તમારા દ્રાક્ષાસવનો તથા તમારા ઓલિવ તેલનો દશાંશ, તેમજ તમારાં ઢોરઢાંકનાં તથા ઘેટાબકરાંનાં પ્રથમ જન્મેલાં બચ્ચાંનું માંસ તમારે ખાવાં. જેથી તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે હરહંમેશ ભક્તિભાવ દર્શાવતાં શીખો. પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થળ તમારા રહેઠાણથી ઘણે દૂર હોય અને રસ્તાનું અંતર વધારે હોવાથી પ્રભુના આશીર્વાદથી પ્રાપ્ત થયેલ ઉપજનો દશાંશ તમે ત્યાં લઈ જઈ શકો તેમ ન હોય તો આમ કરજો. તમારે દશાંશનો ભાગ વેચી નાખવો અને તેમાંથી ઉપજેલાં નાણાંની કોથળી તમારા હાથમાં લઈ તમારા ઈશ્વર પ્રભુ જે સ્થાન પસંદ કરે ત્યાં જવું. અને ત્યાં તમારું મન ચાહે તે ખરીદવું, એટલે કે, વાછરડા, ઘેટાં કે બકરાં, દ્રાક્ષાસવ કે જલદ આસવ માટે તમારે તે નાણાં ખરચવાં અને ત્યાં તમારા ઈશ્વર પ્રભુના સાનિધ્યમાં તેમનો ઉપભોગ કરીને તમારે તમારા કુટુંબ સહિત આનંદોત્સવ કરવો. “તમારાં નગરોમાં વસતા લેવીઓને તમારે પડતા ન મૂકવા. કારણ, તમારી સાથે તેમને કંઈ હિસ્સો કે વારસો મળ્યો નથી. દર ત્રણ વર્ષને અંતે, તમારી તે વર્ષની ઊપજનો દશાંશ જુદો કાઢીને તમારાં નગરોમાં તેનો સંગ્રહ કરવો. જેમને તમારી સાથે જમીનનો કંઈ હિસ્સો કે વારસો મળ્યો નથી એવા તમારા નગરમાં વસતા લેવીઓ તથા પરદેશી, અનાથ અને વિધવાઓ આવીને એમાંથી ખાઈને તૃપ્ત થશે. તમે આવું કરશો તો તમારા ઈશ્વર પ્રભુ તમને તમારાં સર્વ કાર્યોમાં આશીર્વાદ આપશે. “દર સાતમું વર્ષ ઋણમુક્તિનું વર્ષ છે. તમારે આ રીતે દેવું માફ કરવું. પ્રત્યેક લેણદારે પોતાના જાતભાઈ એટલે સાથી ઇઝરાયલીને ધીરેલી રકમનું દેવું માફ કરી દેવું. તેણે એ નાણાં સાથી ઇઝરાયલી પાસેથી બળજબરીથી વસૂલ કરવા પ્રયત્ન કરવો નહિ. કારણ, પ્રભુના નામે ઋણમુક્તિ વિષે ઘોષણા કરવામાં આવી છે. કોઈ પરદેશીનું દેવું હોય તો તેની પાસેથી તે વસૂલ કરવાની તમને છૂટ છે. પરંતુ તમારા જાતભાઈનું દેવું હોય તો તમારે તે વસૂલ કરવું નહિ. “જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણી ખંતથી સાંભળશો અને હું આજે જે આજ્ઞાઓ આપું છું તે બધી કાળજીપૂર્વક પાળશો તો તમારામાંનું કોઈ ગરીબ નહિ હોય; કારણ, તમારા ઈશ્વર પ્રભુ જે દેશ વારસા તરીકે તમને આપે છે તેમાં તે તમને જરૂર આશીર્વાદિત કરશે. *** અને તમારા ઈશ્વર પ્રભુ તમને આપેલા વચન પ્રમાણે તમને આશીર્વાદ આપવાના હોવાથી તમે ઘણી પ્રજાઓને નાણાં ધીરશો, પણ તમારે કોઈના દેવાદાર થવું પડશે નહિ; તમે ઘણી પ્રજાઓ પર સત્તા ચલાવશો, પણ તમારા પર કોઈ પ્રજા સત્તા ચલાવશે નહિ. “જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેમાં તમારા નગરમાં વસતો તમારો કોઈ ઇઝરાયલી ભાઇ તંગીમાં આવી પડયો હોય, તો કઠોર હૃદય રાખીને તેને મદદ કરવામાં તમારો હાથ પાછો રાખશો નહિ. પણ ઉદાર હાથે તેની તંગીના પ્રમાણમાં તેને જરૂરી હોય તેટલું ઉછીનું આપો. જો જો, સાવધ રહેજો કે, ઋણમુક્તિનું વર્ષ પાસે છે એમ વિચારીને તમારા મનમાં ઉછીનું નહિ આપવાનો અધમ વિચાર ન આવે; નહિ તો, તમારા ગરીબ ભાઇના સંબંધમાં તમારી દાનત બગડશે, અને તમે તેને કંઈ નહિ આપો. એથી તો તે પ્રભુની આગળ તમારી વિરુધ પોકાર કરશે અને તમે દોષિત ઠરશો. એ માટે તમારે તેને ઉદારતાથી અને મન કચવાયા વગર અચૂક આપવું; કારણ, એમ કરવાથી તમારા ઈશ્વર પ્રભુ તમારા હાથનાં સર્વ કાર્યોમાં બરક્ત આપશે. દેશમાં કોઈને કોઈ માણસ તો તંગીમાં હોવાનો જ, અને તેથી હું તમને આજ્ઞા આપું છું કે એવા કંગાલ ભાઈ પ્રત્યે ઉદારતાથી વર્તવું. “જો તમારામાંથી કોઈ ઈઝરાયલી પુરુષ કે સ્ત્રી તમને વેચાયેલ હોય અને તે છ વર્ષ તમારે ત્યાં કામ કરે તો પછી સાતમે વર્ષે, તમારે તેને છુટકારો આપવો. જ્યારે તમે એવાંને તમારી પાસેથી છૂટા કરો ત્યારે તમારે તેમને ખાલી હાથે મોકલવાં નહિ. પરંતુ તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલ આશીર્વાદ પ્રમાણે તેમને તમારાં ઘેટાંબકરાંમાંથી, તમારાં અનાજમાંથી અને તમારાં દ્રાક્ષાસવમાંથી ઉદારતાપૂર્વક આપવું. યાદ રાખો કે તમે પણ એક વેળાએ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને તમારા ઈશ્વર પ્રભુએ તમને મુક્ત કર્યા હતા; અને એટલે જ હું તમને આજે આ આજ્ઞા આપું છું. “અને એમ થાય કે તેને તમારી સાથે અને તમારા કુટુંબ સાથે હેત હોવાથી અને તમારી સાથે તે સુખચેનમાં રહેતો હોવાથી તેને તમારી પાસેથી છૂટા થવાનું મન ન હોય, તો તમારે તેને ઘરના બારણા સાથે ઊભો રાખીને તેનો કાન વીંધવો. પછી તે તમારો જીવનભરનો દાસ થશે. તમારી દાસીના સંબંધમાં પણ તમારે એ જ પ્રમાણે કરવું. તમારા દાસને છૂટો કરવાનું તમને અઘરું લાગવું જોઈએ નહિ. કારણ, તેણે અર્ધા વેતનથી તમારે ત્યાં છ વર્ષ ચાકરી કરી છે, માટે એને છૂટા કરવાથી તમારા ઈશ્વર પ્રભુ તમારાં સર્વ કાર્યોમાં તમને આશીર્વાદ આપશે.” “તમારે તમારાં ઢોરઢાંકનાં તથા ઘેટાંબકરાંનાં પ્રથમ જન્મેલાં સર્વ નર બચ્ચાં તમારા ઈશ્વર પ્રભુને અર્પણ કરવાં. એ પ્રથમ જન્મેલા વાછરડા પાસે તમારે કોઈ કામ કરાવવું નહિ; વળી, પ્રથમ જન્મેલા ઘેટાંબકરાંનાં બચ્ચાનું ઊન કાતરવું નહિ. એ બચ્ચાંઓને તમારે અલગ રાખવાં અને જે સ્થાન તમારા ઈશ્વર પ્રભુ પસંદ કરે ત્યાં પ્રભુના સાનિધ્યમાં કુટુંબ સહિત તમારે તે બચ્ચાનું માંસ ખાવું. પરંતુ જો તે બચ્ચાને કંઈ ખોડ હોય એટલે કે તે આંધળું કે લંગડું હોય અથવા બીજી કંઈ ખામી હોય તો તમારે પ્રભુને તેનું બલિદાન કરવું નહિ. એવાં પ્રાણીઓ તમારે ઘેર જ ખાવાં. વિધિપૂર્વક શુધ હોય કે અશુધ હોય પણ દરેક જણ હરણ કે સાબરના માંસની જેમ તે ખાઈ શકે છે. પણ તેમનું લોહી તમારે ખાવું નહિ. તેને તો તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું. “આબીબ માસમાં તમારા ઈશ્વર પ્રભુના સન્માનમાં પાસ્ખાપર્વ પાળવાનું અચૂક યાદ રાખો. કારણ કે આબીબ માસમાં એક રાત્રે તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા હતા. પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થળે જઈને તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે ત્યાં પાસ્ખાપર્વ પાળવા ઢોરઢાંક અથવા ઘેટાંબકરાંમાંથી એક પ્રાણીનો વધ કરવો. જ્યારે તમે પાસ્ખાપર્વના એ પ્રાણીનું માંસ ખાઓ ત્યારે તેની સાથે તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ. સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવાની છે. એ તો દુ:ખની રોટલી છે; કારણ, ઇજિપ્ત દેશમાંથી તમારે બહુ ઉતાવળથી નીકળવું પડયું હતું. આમ, ઇજિપ્તમાંથી નીકળી આવવાનો દિવસ તમને જીવનભર યાદ રહેશે. સાત દિવસ સુધી આખા દેશમાં કોઈપણ ઘરમાં ખમીર હોવું જોઈએ નહિ. પ્રથમ દિવસની સાંજે વધ કરાયેલા પ્રાણીનું માંસ તે જ રાત્રે પૂરેપૂરું ખાઇ જવું અને એમાંથી સવાર પડતાં સુધી કંઈ રાખી મૂકવું નહિ. “તમારા ઈશ્વર પ્રભુએ આપેલાં બીજાં કોઈ નગરમાં નહિ, પણ પ્રભુને નામે ભક્તિ કરવા માટે પસંદ કરાયેલ એકમાત્ર સ્થળે તમારા પાસ્ખાપર્વના પ્રાણીનો વધ કરવો. તમે ઇજિપ્ત દેશમાંથી નીકળ્યા તે સમયે એટલે સાંજે સૂર્યાસ્ત વેળાએ પ્રાણીનો વધ કરીને પાસ્ખાપર્વ પાળવું. *** તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થાને જ તમારે તે માંસ બાફીને ખાવું અને બીજે દિવસે સવારે પોતાના તંબૂએ પાછા જવું. તે પછીના છ દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી અને સાતમે દિવસે તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ માટે પવિત્ર સંમેલન ભરવું અને તે દરમ્યાન તમારે અન્ય રોજિંદું કામ કરવું નહિ. “તમે પાકેલા ધાન્યની કાપણીની શરૂઆત કરો ત્યારથી માંડીને તમે સાત સપ્તાહ ગણો. તે પછી તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે કાપણીના સપ્તાહોનું પર્વ પાળો અને તેમણે તમને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તમારે હાથે તેમને સ્વૈચ્છિક અર્પણ ચડાવજો. તમારા ઈશ્વર પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થાને તમારે પ્રભુના સાંનિધ્યમાં, તમારે તમારાં સંતાનો, નોકરચાકરો, તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથ અને વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો. યાદ રાખો કે તમે ઇજિપ્ત દેશમાં ગુલામ હતા, અને આ સર્વ આજ્ઞાઓ અને વિધિઓ તમે ખંતથી પાળજો. “તમારા ખળામાંથી અનાજ ઝૂડીને અને દ્રાક્ષકુંડમાં દ્રાક્ષ પીલીને તમે અનાજ અને દ્રાક્ષાસવનો ઘરમાં સંગ્રહ કરો તે પછી સાત દિવસ સુધી તમારે માંડવાપર્વ પાળવું. તે પર્વમાં તમારે તમારાં સંતાનો, તમારાં નોકરચાકરો તેમજ તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.” તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે તેમણે પસંદ કરેલા એક સ્થાને સાત દિવસ સુધી તમારે તે પર્વ પાળવું. તમારા ઈશ્વર પ્રભુએ તમારી ઊપજમાં તથા તમારા હાથનાં સર્વ કાર્યોમાં આશીર્વાદ આપ્યો હોવાથી આનંદોત્સવ કરજો. “એક વર્ષમાં ત્રણ વાર, એટલે પાસ્ખાપર્વ, કાપણીનું પર્વ અને માંડવાપર્વ માટે તમારા દેશના બધા પુરુષોએ તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ એક સ્થાને ભક્તિ માટે એકત્ર થવું. પ્રત્યેક માણસે પોતપોતાની ભેટ લાવવી. એટલે, દરેકે પોતાની શક્તિ પ્રમાણે પ્રભુએ તેને આપેલા આશીર્વાદના પ્રમાણમાં ભેટ આપવી. “તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલાં સર્વ નગરોમાં તમારાં કુળો પ્રમાણે ન્યાયાધીશોની તથા બીજા અધિકારીઓની નિમણૂક કરજો. તેમણે પક્ષપાત વગર લોકોનો ન્યાય કરવાનો છે. તેમના ચુકાદાઓમાં તેમણે કાયદાઓનો અવળો અર્થ કરવો નહિ. તેમણે આંખની શરમ રાખી પક્ષપાત ન કરવો. તેમણે લાંચ ન લેવી. કારણ, લાંચ જ્ઞાની અને પ્રામાણિક માણસોની આંખોને પણ આંધળી કરે છે અને તેમને જૂઠા ચુકાદાઓ આપવા પ્રેરે છે. તમે જીવતા રહો અને તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ આપે છે તેનો પૂરેપૂરો કબજો લો તે માટે અદલ ન્યાયને અનુસરો. “જ્યારે તમે તમારા ઈશ્વર પ્રભુ માટે વેદી બનાવો ત્યારે તેની બાજુમાં અશેરા દેવીના પ્રતીકરૂપ સ્તંભ ઊભો કરવો નહિ. એમ જ મૂર્તિપૂજા માટે શિલાસ્તંભ પણ ઊભો કરશો નહિ. કારણ, પ્રભુ તેમને ધિક્કારે છે. “તમે ખોડખાંપણવાળાં વાછરડાં કે ઘેટાં તમારા ઈશ્વર પ્રભુને બલિ તરીકે ચડાવશો નહિ. તમારા ઈશ્વર પ્રભુ તેને પણ ધિક્કારે છે. તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા નગરમાં કોઈ પુરુષ અથવા સ્ત્રી અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરીને અથવા મેં જેમની ભક્તિની મના કરી છે તે સૂર્ય, ચંદ્ર કે તારાઓની પૂજા કરીને તમારા ઈશ્વર પ્રભુ વિરૂધ પાપ કરે અને તેમની સાથેના કરારનો ભંગ કરે; *** અને એ વાત વિષે તમને ખબર મળે અને તમારા સાંભળવામાં આવે તો એ વિષે કાળજીપૂર્વક તપાસ કરો અને ઇઝરાયલમાં એવું અધમ કાર્ય થયું છે એ વાત સાચી અને શંકારહિત હોય, તો એવું અધમ કાર્ય કરનાર પુરુષ અથવા સ્ત્રીને નગરની બહાર લાવીને તેને પથ્થર મારીને મારી નાખો. પરંતુ બે કે તેથી વધારે સાક્ષીઓની જુબાનીને આધારે જ એ વ્યક્તિને દેહાંતદંડની સજા કરવામાં આવે અને માત્ર એક જ સાક્ષીની જુબાનીથી તેને દેહાંતદંડની સજા કરવી નહિ. દેહાંતદંડની સજાનો અમલ કરવા સાક્ષીઓએ પ્રથમ પથ્થરો ફેંકવા અને ત્યાર પછી જ બીજા બધા લોકોએ પથ્થરો ફેંકવા. એ રીતે તમારે તમારી મધ્યેથી અધમતા દૂર કરવી. “તમારા નગરમાં ખૂન, સંપત્તિના દાવા કે મારામારીના જુદા જુદા પ્રકારના એવા વિરોધાભાસી કેસ ઊભા થાય કે સ્થાનિક ન્યાયાધીશો માટે તેનો નિકાલ મુશ્કેલ જણાય, તો તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થળે જવું. અને લેવીકુળના યજ્ઞકારો અને તત્કાલીન ન્યાયાધીશ પાસે જઈને તમારો કેસ રજૂ કરવો. તેઓ એ કેસનો ચુકાદો આપશે. પ્રભુના પસંદ કરેલા સ્થાને તેઓ જે ચુકાદો આપે તેનો સંપૂર્ણપણે અમલ કરવો અને તેમની સુચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવું. તેઓ કાયદાનું જે અર્થઘટન કરે અને જે ચુકાદા આપે તે પ્રમાણે તેનું સંપૂર્ણપણે પાલન કરવું અને તેના અમલમાં જરાય ફેરફાર કરવો નહિ. પણ ત્યાં તમારા ઈશ્વર પ્રભુની સેવા કરનાર યજ્ઞકાર કે તે સમયના ન્યાયાધીશના ચુકાદાનો કોઈ માણસ ઉધતાઈથી ભંગ કરે તો તે મૃત્યુદંડને પાત્ર થાય. એ રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી. સર્વ લોકો એ વિષે સાંભળીને ભય પામશે અને ફરીવાર કોઈ એવી ઉધતાઈ કરશે નહિ. “તમારા ઈશ્વર પ્રભુ જે દેશ તમને આપે છે તેમાં જઈને તમે તેનો કબજો લો અને તેમાં ઠરીઠામ થાઓ ત્યારે તમને થશે કે, ‘આસપાસની સર્વ પ્રજાઓની જેમ અમારે પણ અમારા ઉપર રાજાની નિમણૂક કરવી છે.’ તો તમારા ઈશ્વર પ્રભુ જેને પસંદ કરે તેની જ રાજા તરીકે નિમણૂક કરવી. તે તમારા પોતાના લોકોમાંનો જ હોવો જોઈએ. કોઈ પરદેશીની રાજા તરીકે નિમણૂંક કરવી નહિ. પણ રાજા પોતાના લશ્કર માટે મોટી સંખ્યામાં ઘોડા એકઠા ન કરે અને ઘોડાઓની સંખ્યા વધારવા માટે લોકોને ઇજિપ્ત દેશમાં પાછા ન મોકલે; કારણ કે, પ્રભુએ તમને કહ્યું છે કે, ‘તમારે કદીયે એ માર્ગે પાછા જવું નહિ.’ વળી, રાજાએ પોતાને માટે ઘણી પત્નીઓ રાખવી નહિ; નહિ તો તેનું મન પ્રભુ તરફથી ભટકી જશે. તેણે પોતાને માટે મોટા જથ્થામાં સોનાચાંદીનો સંગ્રહ કરવો નહિ. જ્યારે રાજાનો રાજ્યાભિષેક થાય ત્યારે તે પોતાને માટે લેવીકુળના યજ્ઞકારો પાસે આ નિયમની પ્રત તૈયાર કરાવે. તેણે એ પ્રત પોતાની પાસે રાખવી અને જીવનપર્યંત તેમાંથી વાંચન કરવું, જેથી તે પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખતાં શીખીને તે પુસ્તકમાંની સર્વ આજ્ઞાઓ અને વિધિઓનું પાલન કરે અને કરાવે; પોતે પોતાના ઇઝરાયલી લોકો કરતાં મહાન છે એવો ગર્વ તેને ન થાય અને પ્રભુની કોઈ આજ્ઞાનો લેશમાત્ર ભંગ ન કરે. ત્યારે તો તે અને તેના વંશજો ઇઝરાયલમાં લાંબો સમય રાજ્ય કરશે. “લેવીકુળના યજ્ઞકારો સહિત લેવીકુળના સમગ્ર લોકોને ઇઝરાયલમાં જમીનનો હિસ્સો કે વારસો મળશે નહિ; એને બદલે, તેમણે પ્રભુને અર્પાયેલાં અગ્નિબલિ અને તેમના હિસ્સામાંથી ગુજરાન ચલાવવું. તેમને તેમના જાતભાઈઓની જેમ જમીન વારસામાં મળશે નહિ, તેમ તેઓ જમીનની માલિકી ધરાવશે નહિ. પ્રભુએ તેમને આપેલા વચન પ્રમાણે તો પ્રભુ પોતે જ તેમનો વારસો છે. “જ્યારે લોકો ઢોરઢાંકમાંથી કે ઘેટાંબકરાંમાંથી પ્રાણીનું બલિદાન ચડાવે ત્યારે તેમણે યજ્ઞકારોને તેમના હિસ્સા તરીકે બાવડું, ગલોફાં અને હોજરી આપવાં. એ ઉપરાંત તમારાં અનાજ, દ્રાક્ષાસવ, તેલ અને ઊનની પેદાશનો પ્રથમ હિસ્સો પણ તમારે તેમને આપવો. કારણ કે, તમારાં સર્વ કુળોમાંથી તમારા ઈશ્વર પ્રભુએ લેવીકુળના વંશજોને પ્રભુ સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા હંમેશને માટે પસંદ કર્યા છે. “સમસ્ત ઇઝરાયલના કોઈપણ નગરમાં વસતો કોઈ લેવી વંશજ સ્વેચ્છાપૂર્વક તે નગરમાંથી નીકળીને પ્રભુ જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં જાય, તો ત્યાં પ્રભુની સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવતા લેવીકુળના તેના કુળભાઈઓની જેમ તે પણ તેના ઈશ્વર પ્રભુની સેવા બજાવી શકે છે. તેને વડીલોપાર્જિત મિલક્તના વેચાણમાંથી થયેલી આવક હોય તો પણ બીજા યજ્ઞકારોની જેમ તેને પણ ખોરાકમાંથી સરખો હિસ્સો મળે. “તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ આપે તેમાં તમે આવો ત્યારે ત્યાં વસતી પ્રજાઓના ઘૃણાજનક વિધિઓનું અનુકરણ કરશો નહિ. તમારામાં કોઈએ પોતાના બાળકોને વેદીના અગ્નિમાં બલિ તરીકે ચડાવવાં નહિ. તમારામાંથી કોઈ જોષ જોનાર, શુકન જોનાર, ધંતરમંતર કરનાર, જાદુ કરનાર, મોહિની લગાડનાર, ભૂતપ્રેતની સાધના કરનાર કે મૃતાત્માઓનો સંપર્ક સાધનાર હોવો જોઈએ નહિ. કારણ, એવાં ઘૃણાસ્પદ કાર્યો કરનારને પ્રભુ ધિક્કારે છે અને તેમનાં એવાં ઘૃણાસ્પદ કાર્યોને લીધે તો તમારા ઈશ્વર પ્રભુ તેમને તમારી આગળથી હાંકી કાઢે છે. પણ તમે તમારા ઈશ્વર પ્રભુને પૂરેપૂરા નિષ્ઠાવાન રહો.” પછી મોશેએ કહ્યું, “જે દેશનો તમે કબજો લેવાના છો ત્યાંની પ્રજાઓ તો જોષ જોનાર તથા શુકન જોનારાઓની સલાહ પ્રમાણે વર્તે છે; પરંતુ તમારા ઈશ્વર પ્રભુ તમને તેમ કરવાની પરવાનગી આપતા નથી. એને બદલે, તમારા ઈશ્વર પ્રભુ તમારી મધ્યે તમારા લોકોમાંથી જ તમારે માટે મારા જેવો સંદેશવાહક ઊભો કરશે; તમારે તેનું જ સાંભળવું. તમે હોરેબ પર્વત પાસે એકત્ર થયા હતા ત્યારે તમે એવી માગણી કરી કે તમારે ફરીથી તમારા ઈશ્વર પ્રભુની વાણી સીધેસીધી સાંભળવી નથી અને તેમની ઉપસ્થિતિનો મહાન અગ્નિ પણ જોવો નથી; કારણ, તમને માર્યા જવાનો ભય હતો. પ્રભુએ પણ મને કહ્યું હતું કે, ‘તેમની માગણી વાજબી છે. હું તેમને માટે તેમના લોકોમાંથી જ તારા જેવો સંદેશવાહક ઊભો કરીશ. હું તેના મુખમાં મારો સંદેશ મૂકીશ અને હું તેને ફરમાવું તે સંદેશ તે લોકને આપશે. કોઈ સંદેશવાહક મારે નામે સંદેશ પ્રગટ કરે, ત્યારે જે કોઈ તેના સંદેશની અવગણના કરશે તેને હું સજા કરીશ. પણ જો કોઈ સંદેશવાહક ગર્વિષ્ઠ થઈને મેં આજ્ઞા ન કરી હોય છતાં મારે નામે સંદેશ પ્રગટ કરવાની ધૃષ્ટતા કરશે, અથવા અન્ય દેવોને નામે સંદેશ પ્રગટ કરશે તો તે સંદેશવાહક માર્યો જશે. “તમને મનમાં એવો પ્રશ્ર્ન થાય કે, ‘કોઈ સંદેશ પ્રભુ તરફથી મળ્યો નથી એ અમે કેવી રીતે જાણી શકીએ?’ જો કોઈ સંદેશવાહક પ્રભુને નામે સંદેશ પ્રગટ કરે અને જો તે પ્રમાણે ન બને કે તે આગાહી પૂર્ણ ન થાય તો એ સંદેશ પ્રભુ તરફથી નથી એમ જાણવું. તે સંદેશવાહક માત્ર પોતાના તરફથી બડાઈપૂર્વક બોલ્યો છે, અને તમારે તેનાથી ડરવું નહિ. “જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તેમાંની પ્રજાઓનો વિનાશ કર્યા પછી તમને આપે છે તેનો તમે કબજો લો અને તેમનાં નગરોમાં અને તેમનાં ઘરોમાં વસવાટ કરો; ત્યારે તમારા ઈશ્વર પ્રભુ તમને જે ભૂમિ વારસા તરીકે આપે છે તેના ત્રણ ભાગ પાડો. પ્રત્યેક વિભાગમાં એક એમ ત્રણ નગર અલગ કરો અને ત્યાં સહેલાઈથી પહોંચી શકાય તે માટે રસ્તા તૈયાર કરો; જેથી કોઈ પણ મનુષ્યઘાતક ત્યાં નાસી જઈ શકે. *** કોઈ માણસને બીજા માણસ પર અગાઉથી વેર ન હોય અને આકસ્મિક રીતે તેની હત્યા કરી બેસે તો તે માણસ ત્યાં નાસી જઈને રક્ષણ પ્રાપ્ત કરે. દાખલા તરીકે, એક માણસ બીજા માણસ સાથે લાકડાં કાપવા જંગલમાં જાય અને વૃક્ષ કાપવા માટે કુહાડીનો ઘા મારતાં કુહાડી તેના હાથામાંથી છટકીને પેલા બીજા માણસને વાગે અને તે માણસ મૃત્યુ પામે, તો પેલો પહેલો માણસ પેલાં ત્રણમાંથી કોઈ એક નગરમાં નાસી જઈને રક્ષણ પ્રાપ્ત કરે. જો નગરે પહોંચવાનો રસ્તો લાંબો હોય તો ખૂનનો બદલે લેનાર સગો પેલા માણસને રસ્તામાં પકડી પાડશે અને અગાઉથી વેર ન હોવાથી તે માણસ મૃત્યુદંડને પાત્ર ન હોવા છતાં તે તેને ક્રોધના આવેશમાં મારી નાખશે. એટલે જ હું તમને આજ્ઞા આપું છું કે તમારે આશ્રય માટે ત્રણ નગરો જુદાં પાડવાં. “તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખીને અને તેમણે ચીંધેલા માર્ગે અનુસરીને મેં આપેલી સર્વ આજ્ઞાઓનું તમે ખંતથી પાલન કરો અને તેથી તમારા ઈશ્વર પ્રભુએ તમારા પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમારી સીમા વિસ્તારે અને તમારા પૂર્વજોને આપવાનું કહ્યું હતું તે બધો પ્રદેશ તમને આપે તો તમારે બીજાં ત્રણ નગરો પણ આશ્રય માટે અલગ કરવાં. *** એમ કરવાથી નિર્દોષજનોના ખૂનનો દોષ લાગશે નહિ. “પરંતુ જો કોઈ માણસ બીજા માણસ પર વૈરભાવ હોવાથી અને સંતાઈ રહીને લાગ મળતાં એ માણસ પર હુમલો કરી તેની હત્યા કરે અને પછી આશ્રય માટેના કોઈ નગરમાં નાસી છૂટે, તો તે ખૂની માણસના નગરના વડીલો કોઈને મોકલીને તેને ત્યાંથી બોલાવી લે અને ખૂનનો બદલે લેનાર સગાના હાથમાં તેને સોંપે અને એમ તે માર્યો જાય. તમારે ખૂની માણસ પ્રત્યે દયા દાખવવી નહિ; એમ તમારે ઇઝરાયલમાંથી નિર્દોષના ખૂનનો દોષ દૂર કરવો, જેથી તમારું કલ્યાણ થાય. “તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશનો કબજો આપે છે તેમાં તમને જમીનનો વારસો મળે ત્યારે અસલના સમયમાં તમારા પૂર્વજોએ નક્કી કર્યા પ્રમાણેની તમારા પડોશીના જમીનની હદનો જૂના સમયનો પથ્થર તમારે ખસેડવો નહિ. “એક જ સાક્ષીની જુબાનીથી કોઈને દોષિત ઠરાવી શકાય નહિ. બે અથવા ત્રણ સાક્ષીઓની જુબાનીને આધારે જ કોઈ માણસ પરનો આરોપ પુરવાર થવો જોઈએ. જો કોઈ માણસ બીજા માણસને હાનિ પહોંચાડવા તેના પર ગુનાનો જૂઠો આરોપ મૂકે, તો એ બન્‍ને પક્ષકારોએ પ્રભુની સમક્ષ તે સમયે પદ ધરાવવતા યજ્ઞકારો અને ન્યાયાધીશો પાસે હાજર થવું. ન્યાયાધીશો એ તકરાર વિષે ચોક્સાઈપૂર્વક તપાસ કરશે અને જો તે માણસે સાથી ઇઝરાયલી પર જૂઠો આરોપ મૂક્યો હોય, તો જે સજા આરોપીને થઈ હોત તે જ સજા જૂઠો આરોપ મૂકનારને કરવી. એ રીતે તમારે તમારી વચમાંથી દુષ્ટતા દૂર કરવી. બીજા લોકો એ વિષે સાંભળીને ભય પામશે અને તમારી વચમાં એવું દુષ્ટ કાર્ય ફરી કોઈ કરશે નહિ. એ પ્રસંગે તમારે લેશમાત્ર દયા દાખવવી નહિ; પણ જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ અને પગને બદલે પગ એમ સજા કરવી. “જ્યારે તમે તમારા શત્રુઓ સામે લડવા જાઓ અને તમે ઘોડાઓને, રથોને અને તમારા લશ્કર કરતાં વિશાળ લશ્કરને જુઓ, ત્યારે તેમનાથી ડરી જશો નહિ; કારણ, તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કરનાર તમારા ઇશ્વર પ્રભુ તમારી સાથે છે. તમે રણભૂમિ પર પહોંચીને યુધ શરૂ કરો તે પહેલાં યજ્ઞકાર લશ્કરને આ રીતે સંબોધન કરે: ‘હે ઇઝરાયલના માણસો, સાંભળો! આજે તમે તમારા શત્રુઓની સામે યુધ કરવા આવ્યા છો. તો તમારા શત્રુઓથી નાહિંમત થશો નહિ કે ડરશો નહિ; તેમનાથી ધ્રૂજી જશો નહિ કે ભયભીત થશો નહિ. તમારા પક્ષે રહીને તમારા શત્રુઓ સામે યુધ કરવા તમારી સાથે જનાર અને તમને વિજય અપાવનાર તો તમારા ઈશ્વર પ્રભુ છે!’ “ત્યાર પછી અધિકારીઓ લોકોને સંબોધીને કહે: ‘નવું ઘર બાંધ્યું હોય પણ તેની પ્રતિષ્ઠા કરી ન હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો તે કદાચ યુધમાં માર્યો જાય અને બીજા માણસે તેના ઘરની પ્રતિષ્ઠા કરવી પડે. વળી, દ્રાક્ષવાડી રોપી હોય પણ તેનું ફળ ચાખવા પામ્યો ન હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની છૂટ છે. નહિ તો કદાચ તે યુધમાં માર્યો જાય અને બીજો માણસ તેનું ફળ ખાય. સ્ત્રી સાથે સગાઈ થઈ હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો, કદાચ તે યુધમાં માર્યો જાય અને તે સ્ત્રી બીજાની પત્ની થાય.’ “અધિકારીઓ વિશેષમાં એમ પણ કહે કે, ‘હિંમત ઓસરી ગઈ હોય અને ડરી ગયા હોય એવા કોઈ છે? જો હોય તો તેમને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો, એવા માણસો બીજાઓને નાહિંમત કરી દેશે.’ લશ્કરી અધિકારીઓનું સંબોધન પૂરું થાય એ પછી તેમણે લશ્કરની સર્વ ટુકડીઓ માટે સેનાધિકારીઓની નિમણૂક કરવી. “જ્યારે તમે કોઈ નગર પર આક્રમણ કરવા માટે જાઓ ત્યારે તમારે તેમને સંધિની શરતો મોકલી આપવી. જો તેઓ તમારી સુલેહની શરતો સ્વીકારે અને નગરના દરવાજા ખોલી નાખીને શરણાગતિ સ્વીકારે તો એ નગરના લોકો વેઠિયા મજૂર તરીકે તમારી સેવા કરે. પણ જો તે નગરના લોકો તમારી સાથે સુલેહ ન કરે અને તમારી સામે યુધે ચડે તો તમારે તેને ઘેરો ઘાલવો. પછી જ્યારે તમારા ઈશ્વર પ્રભુ તે નગરને સર કરવા દે ત્યારે તમારે તેમાંના દરેક પુરુષને તલવારથી મારી નાખવો. પરંતુ સ્ત્રીઓ, બાળકો, ઢોરઢાંક તેમજ નગરમાંનું સર્વસ્વ તમારે તમારી લૂંટ તરીકે રાખી લેવાં. તમારા ઈશ્વર પ્રભુએ તમને તમારા શત્રુઓ પાસેથી આપેલી લૂંટનો તમારે ઉપભોગ કરવો. જે પ્રજાઓના દેશમાં તમે વસવાના છો તે પ્રજાઓનાં ન હોય એવાં દૂરનાં નગરોના સંબંધમાં પણ તમારે એ જ પ્રમાણે કરવું. “પરંતુ જે દેશનાં નગરો પ્રભુ તમને વારસા તરીકે આપે છે તેમને તમે સર કરો ત્યારે તેમાં કોઈને પણ જીવતું રહેવા દેવું નહિ. તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે તમારે હિત્તીઓનો, અમોરીઓનો, કનાનીઓનો, પરિઝ્ઝીઓનો, હિવ્વીઓનો તથા યબૂસીઓનો પૂરેપૂરો વિનાશ કરવો; નહિ તો જે સર્વ અધમ કાર્યો તેમણે તેમનાં દેવદેવીઓની પૂજામાં આચર્યાં છે તે પ્રમાણે કરવાનું શીખવીને તેઓ તમારા ઈશ્વર પ્રભુની વિરુધ તમારી પાસે પાપ કરાવશે. “જ્યારે યુધ દરમ્યાન કોઈ નગરને સર કરવા માટે લાંબો સમય ઘેરો ઘાલવો પડે, ત્યારે તેનાં વૃક્ષોને કુહાડીથી કાપી નાખશો નહિ. તમે તે વૃક્ષોનાં ફળ ખાઇ શકો છો, પણ તેમને કાપી નાખશો નહિ. માણસોની જેમ વૃક્ષો કંઈ તમારા શત્રુ નથી કે તમારે તેમને પણ ઘેરો ઘાલવો પડે! ફળ નહિ આપનારાં વૃક્ષોને કાપીને તમારો સામનો કરનાર નગરનો પરાજય કરવાને મોરચા બાંધવા તમે તેમનો ઉપયોગ કરી શકો છો. “તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશનો કબજો સોંપે છે તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી મળી આવે અને તેને કોણે માર્યો એ કોઈ જાણતું ન હોય, તો તમારા વડીલો અને તમારા ન્યાયાધીશો ત્યાં જઈને લાશ જ્યાં પડી હતી તેની નજીકનાં નગરોનું અંતર માપે. પછી લાશ જ્યાં પડી હતી તે સ્થળથી સૌથી નજીકના નગરના વડીલોએ જેનો ઉપયોગ થયો ન હોય અને કદી જોતરાઈ ન હોય એવી વાછરડી લેવી. અને તે નગરના વડીલોએ જ્યાં કદી ખેડાણ કે વાવેતર થયું ન હોય એવા વહેતા ઝરણાના ખીણપ્રદેશમાં તે વાછરડીની ડોક ભાંગી નાખવી. લેવીકુળના યજ્ઞકારોએ પણ ત્યાં જવું; કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તેમને તેમની સેવા કરવા માટે અને પ્રભુને નામે આશીર્વાદ ઉચ્ચારવા પસંદ કર્યા છે, અને હરેક વિવાદ અને હરેક હિંસાનો નીવેડો તેમના કહેવા પ્રમાણે કરવાનો છે. લાશથી સૌથી નજીકમાં આવેલા નગરના વડીલો પેલી વાછરડી પર પોતાના હાથ ધોઈ નાખે. અને નગર વતી તેઓ કહે કે, ‘અમે આ હત્યા કરી નથી કે અમે એ હત્યાનો બનાવ જોયો નથી. હે પ્રભુ, તમારા ઇઝરાયલી લોકો જેમને તમે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા તેમને તમે ક્ષમા કરો. તમારા ઇઝરાયલી લોક મધ્યે નિર્દોષ વ્યક્તિના ખૂનનો દોષ લાગવા ન દો.’ ત્યારે તેમને ખૂનના દોષની ક્ષમા મળશે. એ પ્રમાણે પ્રભુની દૃષ્ટિમાં યથાયોગ્ય કાર્ય કરીને તમારી મધ્યેથી તમારે નિર્દોષ વ્યક્તિના ખૂનના દોષનું વિમોચન કરવું. “જ્યારે તમે યુધમાં જાઓ અને તમારા ઈશ્વર પ્રભુ તમને યુધમાં વિજય અપાવે અને તમે યુધમાં કેદીઓને પકડો, અને એ કેદીઓમાં કોઈ સુંદર સ્ત્રી જોઈને તમારામાંનો કોઈ તેના પર મોહિત થાય અને તેની સાથે લગ્ન કરવા ઇચ્છે તો તેણે તેને પોતાને ઘેર લાવવી. ત્યાં તે સ્ત્રી પોતાનું માથું મૂંડાવે અને પોતાના નખ કપાવે; અને કેદમાં પકડાઈ તે વેળાનાં તેનાં વસ્ત્રો બદલી નાખે. તે સ્ત્રી તેના ઘરમાં રહે અને એક મહિના માટે પોતાના માબાપને માટે શોક કરે તે પછી જ તે પુરુષ તેની સાથે લગ્ન કરી શકે અને તે તેનો પતિ થાય અને તે સ્ત્રી તેની પત્ની થાય. ત્યાર પછી તેના પરથી તેનું મન ઊઠી જાય તો તે સ્ત્રીને તેની મરજીમાં આવે ત્યાં જવા દેવી; પણ તેને નાણાં લઈને વેચવી નહિ. તે કોઈ ગુલામડી હોય એમ વેચાણની વસ્તુ તરીકે તેની સાથે વર્તવું નહિ; કારણ, તેણે તેની સાથે સમાગમ કર્યો છે. “જો કોઈ માણસને બે પત્ની હોય, એક માનીતી અને બીજી અણમાનીતી, અને એ બન્‍નેને સંતાન થયા હોય, પણ અણમાનીતી પત્નીનો પુત્ર પ્રથમજનિત હોય, તો જ્યારે તે માણસ પોતાના પુત્રોને મિલક્તનો વારસો વહેંચી આપે ત્યારે અણમાનીતીના પ્રથમજનિત પુત્રને બદલે માનીતી સ્ત્રીના પુત્રનો પક્ષ લઈને તેને પ્રથમજનિત પુત્રનો હિસ્સો ફાળવે નહિ. પરંતુ તેણે અણમાનીતીના પુત્રને જ પ્રથમજનિત પુત્ર તરીકે માન્ય રાખી તેને સર્વ મિલક્તમાંથી બમણો હિસ્સો આપવો. કારણ, તે તેના પૌરુષત્વનું પ્રથમ ફળ છે અને નિયમ પ્રમાણે જયેષ્ઠપુત્રનો હક્ક તેનો જ છે. “જો કોઈ માણસને હઠીલો અને ઉધત પુત્ર હોય અને તે પોતાના માતાપિતાનું કહેવું માનતો ન હોય અને તેમની શિસ્તની અવગણના કરતો હોય, તો તેનાં માબાપ તેને નગરના વડીલો સમક્ષ ન્યાયચુકાદો આપવાના સ્થળે લાવે. અને તેઓ તેમને કહે, ‘આ અમારો પુત્ર હઠીલો અને ઉધત છે અને અમારું કહ્યું માનતો નથી. વળી, તે ઉડાઉ અને નશાબાજ છે.’ ત્યારે તે નગરના સર્વ પુરુષો તેને પથ્થરો મારીને મારી નાખે. એ રીતે તમારે તમારી વચમાંથી દુષ્ટતા દૂર કરવી. ઇઝરાયલના સૌ કોઈ તે વિષે સાંભળશે અને ભય પામશે.” “જો કોઈ માણસે મૃત્યુદંડ યોગ્ય પાપ કર્યું હોય અને તેને કોઈ વૃક્ષ પર ફાંસીએ ચડાવી દેવામાં આવે; તો તેની લાશ આખી રાત વૃક્ષ પર રહેવી ન જોઈએ. વૃક્ષ પર ટંગાયેલ દરેક વ્યક્તિ ઈશ્વરથી શાપિત છે. તેથી તે જ દિવસે તે લાશ દફનાવી દેવી. જેથી તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસા તરીકે આપે છે તે અશુધ ન થાય. “જો તમે તમારા કોઈ સાથી ઇઝરાયલીનો બળદ કે તેનું ઘેટું રઝળતાં જુઓ તો તેની ઉપેક્ષા નહિ કરતાં તમારે તે પ્રાણીને તેના માલિકને પહોંચતું કરવું. પણ જો તમારો સાથીભાઈ તમારાથી ઘણે દૂર રહેતો હોય અથવા તે પ્રાણી કોનું છે તે તમે જાણતા ન હો તો તમારે તેને તમારે ઘેર લઇ જવું અને તમારે ત્યાં રાખવું અને જ્યારે તેનો માલિક તેને શોધતો શોધતો તમારે ઘેર આવે ત્યારે તમારે તેને તે પાછું આપવું. “જો ગધેડું, વસ્ત્ર કે તમારા સાથી ઇઝરાયલીની બીજી કોઈ પણ ખોવાયેલી વસ્તુ તમને મળી આવે તો એ બધા વિષે તમારે એમ જ કરવું. તમારે તેમની ઉપેક્ષા કરવી નહિ. “વળી, તમારા સાથી ઇઝાયલીનું ગધેડું કે તેનો બળદ રસ્તા પર પડી ગયેલો જુઓ તો તેની પણ ઉપેક્ષા કરશો નહિ. તમારે તે પ્રાણીને પાછા ઊભા થવામાં મદદ કરવી. “સ્ત્રીએ પુરુષનાં વસ્ત્રો પહેરવાં નહિ અને પુરુષે સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાં નહિ; કારણ, એવાં અધમ કાર્યો કરનારને તમારા ઈશ્વર પ્રભુ ધિક્કારે છે. “જો તમને વૃક્ષ પર અથવા જમીન પર પક્ષીનો માળો મળી આવે, અને જો માદા ઇંડા પર બેસી તેમને સેવતી હોય કે બચ્ચાં સાથે બેઠી હોય તો તમારે તે માદાને પકડવી નહિ. બચ્ચાંને લેવા હોય તો લઇ શકો છો, પણ માદાને તમારે જરૂર છોડી દેવી. એમ કરવાથી તમારું કલ્યાણ થશે અને તમને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થશે. “જ્યારે તમે નવું ઘર બાંધો ત્યારે ધાબાને ફરતે કઠેરો બાંધવો. એ માટે કે કોઈ માણસ ઉપરથી પડીને મૃત્યુ પામવાથી તમારા પર ખૂનનો દોષ ન આવે. “તમારી દ્રાક્ષવાડીમાં દ્રાક્ષવેલા સાથે બીજી જાતનાં બી ન વાવશો; નહિ તો તમે દ્રાક્ષવેલાની ઊપજ અને બીજા બીનો પાક એ બન્‍ને ગુમાવશો. “ખેતરને ખેડવા માટે તમારે બળદ સાથે ગધેડાને જોતરવો નહિ. “ઊન અને અળસી રેસા એમ બે પ્રકારના રેસા સાથે વણ્યા હોય એવા કાપડનાં વસ્ત્રો તમારે પહેરવાં નહિ. “તમારે તમારા ડગલાને ચારે ખૂણે ઝાલર મૂકવી. “જો કોઈ માણસ લગ્ન કરે અને પત્ની સાથે સમાગમ કર્યા પછી તેના પ્રત્યે તિરસ્કાર પેદા થાય, અને તેને બદનામ કરવા તેના પર જૂઠો આક્ષેપ મૂક્તાં તેને કહે કે, ‘મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યું અને જ્યારે મેં તેની સાથે સમાગમ કર્યો ત્યારે તે કુંવારી છે તેવો કોઈ પુરાવો મને મળ્યો નથી;’ તો તે કન્યાના માબાપ તે કન્યાનો કુંવારાપણાનો પુરાવો લઈને નગરના વડીલોની પાસે ચોકમાં જાય. અને કન્યાનો પિતા વડીલોને કહે, ‘મેં મારી પુત્રી આ પુરુષ સાથે પરણાવી પણ તે હવે તેનો તિરસ્કાર કરે છે. તે તેને પરણ્યો ત્યારે તે કુંવારી નહોતી એવો જૂઠો આક્ષેપ તેના પર મૂકે છે. પણ આ રહ્યો મારી પુત્રીના કુંવારાપણાનો પુરાવો!’ પછી તે નગરના વડીલો સામે તે ચાદર પાથરે. ત્યારે નગરના વડીલો પેલા પુરુષને પકડીને ફટકારે. વળી, તેઓ તેને સો ચાંદીના સિક્કાનો દંડ કરે અને તે રકમ કન્યાના પિતાને આપે. કારણ, એ માણસે ઇઝરાયલની એક નિર્દોષ કન્યાને બદનામ કરી છે; અને તે કન્યા તેની પત્ની તરીકે કાયમ રહે અને તેના આખા જીવન દરમ્યાન તે તેને છૂટાછેડા આપી શકે નહિ. “પણ જો આરોપ સાચો હોય અને કન્યા કુંવારી હતી એવો પુરાવો મળી ન આવે. તો તે વડીલો તે કન્યાને તેના પિતાના ઘર આગળ લાવે અને ત્યાં નગરના પુરુષો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે. કારણ, તે સ્ત્રીએ પિતાના ઘરમાં હતી તે દરમ્યાન વેશ્યાગીરી કરવાની મૂર્ખાઈ કરી છે. એ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. “જો કોઈ પુરુષ કોઈ પરણેલી સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં પકડાય તો વ્યભિચાર કરનાર એ પુરુષ અને સ્ત્રી બન્‍નેને મારી નાખવાં; એવી રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી. “જો કોઈ સગપણ થયેલી કુંવારી કન્યા સાથે અન્ય પુરુષ નગરમાં સમાગમ કરે; તો તમારે તે બન્‍નેને નગરના દરવાજા પાસે લાવીને પથ્થરે મારીને મારી નાખવાં; કન્યાને એટલા માટે કે તે નગરમાં હોવા છતાં તેણે મદદ માટે બૂમ પાડી નહિ; અને પુરુષને એટલા માટે કે તેણે પોતાના સાથી ઇઝરાયલીને સગપણમાં અપાયેલી સ્ત્રી સાથે સમાગમ કર્યો. એ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. “પરંતુ જો કોઈ સગપણ થયેલી કુંવારી કન્યા ઉપર અન્ય પુરુષ ખેતરમાં બળાત્કાર કરે, તો બળાત્કાર કરનાર પુરુષ એકલો જ માર્યો જાય. પણ કન્યાને કંઈ સજા થાય નહિ; કારણ, તેણે મૃત્યુદંડને પાત્ર કોઈ પાપ કર્યું નથી. આ તો એક માણસ હુમલો કરીને બીજાને મારી નાખે તેના જેવી વાત છે. એ પુરુષે તે કન્યા પર ખેતરમાં બળાત્કાર કર્યો ત્યારે તેણે બૂમો તો પાડી હશે પણ ત્યાં છોડાવનાર કોઈ નહોતું. “જો કોઈ પુરુષ સગાઈ ન થઈ હોય એવી કુંવારી કન્યા પર બળાત્કાર કરતાં પકડાય. તો તે પુરુષ તે કન્યાના પિતાને ચાંદીના પચાસ સિક્કા કન્યાવિક્રય તરીકે આપે અને તે તેની પત્ની થાય. તે માણસે તે કન્યા સાથે બળજબરીથી સમાગમ કર્યો તેથી તે તેના આખા જીવનભર તેને છૂટાછેડા આપી શકે નહિ. “કોઈ પુરુષે પોતાના પિતાની પત્ની સાથે સમાગમ કરીને તેના પિતાની આબરૂ કાઢવી નહિ. “જેનાં વૃષણ કચડી નાખવામાં આવ્યાં હોય કે જેનાં ગૃહ્યાંગ કાપી નાખવામાં આવ્યાં હોય તેવા માણસને પ્રભુના લોકના સમાજમાં દાખલ કરવો નહિ. “વ્યભિચારથી જન્મેલ કોઈ વ્યક્તિ અને તેની દશમી પેઢી સુધીના તેના વંશજો પ્રભુના લોકના સમાજમાં જોડાઈ શકે નહિ.” “કોઈ આમ્મોની અથવા મોઆબી અથવા તેમની દશમી પેઢી સુધીના તેમના વંશજો પ્રભુના લોકના સમાજમાં જોડાઈ શકે નહિ. કારણ, જ્યારે તમે ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા ત્યારે તે મુસાફરી દરમ્યાન તેમણે તમને આવકાર્યા નહિ અને ખોરાકપાણી પૂરાં પાડવાનો ઈન્કાર કર્યો. એથી વિશેષ, અરામ-નાહરાઈમના પયોર નગરથી બયોરના પુત્ર બલામને તમને શાપ આપવાને નાણાં આપીને રોક્યો હતો. જો કે તમારા ઈશ્વર પ્રભુએ તો બલામની વિનંતી સાંભળી જ નહિ. એને બદલે, તમારા ઈશ્વર પ્રભુએ શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો. કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમારા પર પ્રેમ રાખે છે. તમારે તમારા જીવનભર એ લોકોનાં કલ્યાણ કે આબાદી માટે કશું કરવું નહિ. “તમારે અદોમી લોકોનો તિરસ્કાર ન કરવો. કારણ, એ તમારા સગા છે. એ જ પ્રમાણે તમારે ઇજિપ્તીઓનો તિરસ્કાર ન કરવો. કારણ, તમે તેમના દેશમાં વસવાટ કર્યો હતો. તેમની ત્રીજી પેઢીનાં સંતાન પ્રભુના લોકના સમાજમાં જોડાઈ શકે. “જ્યારે તમે શત્રુઓ સામે યુધ કરવા છાવણીમાં હો ત્યારે તમને અશુધ કરનાર સર્વ બાબતોથી તમારે પોતાને અલગ રાખવા. તમારામાંના કોઈને રાત્રે સ્વપ્નદોષ થયો હોય તો તે માણસે છાવણી બહાર જવું અને ત્યાં જ રહેવું. પછી ઢળતી સાંજે તેણે સ્નાન કરવું અને સૂર્યાસ્ત થયા પછી તેણે છાવણીમાં પાછા આવવું. “તમારે મળત્યાગ માટે છાવણી બહાર એક જગા નિયત કરવી અને મળત્યાગ માટે ત્યાં જ જવું. તમારાં સાધનોમાં એક પાવડો રાખવો. જ્યારે તમે મળત્યાગ માટે જાઓ ત્યારે પાવડાથી માટી ખોદીને તમારો મળ ઢાંકી દેવો. એમ તમારી છાવણીને શુધ રાખજો; કારણ, તમારું રક્ષણ કરવાને અને તમારા શત્રુઓ ઉપર વિજય અપાવાને તમારા ઈશ્વર પ્રભુ તમારી છાવણીમાં વિચરે છે. તમારી છાવણીમાં કોઈ અશુધ બાબત તમારા ઈશ્વરની નજરે પડે નહિ; નહિ તો તે તમારાથી વિમુખ થઈ જશે. “જો કોઈ ગુલામ તેના માલિક પાસેથી નાસી છૂટીને તમારે શરણે આવે તો તમારે તેને તેના માલિકને પાછો સોંપવો નહિ. તમારાં નગરોમાંથી તેને જે નગર પસંદ પડે ત્યાં તેને ફાવે ત્યાં રહેવા દેવો અને તેના પર તમારે જુલમ કરવો નહિ. “કોઈપણ ઇઝરાયલી સ્ત્રી કે પુરુષે વિધર્મી મંદિરમાં વેશ્યા બનવું નહિ. એ જ પ્રમાણે એવી સ્ત્રી વેશ્યાની કે પુરુષ વેશ્યાની કમાણી તમારે તમારી માનતા પૂરી કરવા માટે તમારા ઈશ્વર પ્રભુના મંદિરમાં લાવવી નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ એ બન્‍નેની કમાણીને ધિક્કારે છે. “તમે તમારા સાથી ઇઝરાયલીને નાણાં ધીરો ત્યારે વ્યાજ લેશો નહિ. તમારે તેમની પાસેથી નાણાંનું, અનાજનું કે ધીરેલી બીજી કોઈ વસ્તુનું વ્યાજ લેવું નહિ. તમને પરદેશી પાસેથી વ્યાજ લેવાની પરવાનગી છે, પરંતુ તમારા સાથી ઇઝરાયલીને વ્યાજે ધીરશો નહિ. એથી જે દેશનો કબજો તમને મળવાનો છે તેમાં તમારા હાથનાં સર્વ કાર્યો પર તમારા ઈશ્વર પ્રભુ તમને આશીર્વાદ આપશે. “જ્યારે તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે માનતા માનો ત્યારે તે પૂર્ણ કરવામાં ઢીલ કરશો નહિ; કારણ, તમારા ઈશ્વર પ્રભુ તે માનતા માટે તમને જવાબદાર ગણશે, અને માનતા પૂર્ણ ન કરવી એ પાપ છે. પ્રભુ પ્રત્યે માનતા ન માનવી એ પાપ નથી. તમે તમારે મુખે માનતા માટે જે કંઈ બોલ્યા હતા તે પ્રમાણે કરો. તમે તમારા ઈશ્વર, પ્રભુને સ્વેચ્છાથી સ્વૈચ્છિક અર્પણ ચડાવવાની માનતા લીધી હોય તે પ્રમાણે જ કરો. “જ્યારે તમે કોઈની દ્રાક્ષાવાડીમાંથી પસાર થતા હો ત્યારે તમે ધરાઈને દ્રાક્ષ ખાઈ શકો છો, પણ તમારે દ્રાક્ષ કોઈ પાત્રમાં ભરીને લઈ જવી નહિ. તમે કોઈના ખેતરના ઊભા પાક પાસેથી પસાર થતા હો ત્યારે તમારા હાથથી કણસલા તોડીને તમને ખાવાની છૂટ છે, પણ દાતરડું લગાવીને કણસલા લણી લેવાની છૂટ નથી. “જો કોઈ માણસ સ્ત્રી પરણી લાવે અને તે સ્ત્રીમાં કોઈ નિર્લજ્જ બાબત હોવાને લીધે તે તેને પસંદ ન પડે તો તે તેને ફારગતી પત્ર લખી તેના હાથમાં આપી તેને પોતાના ઘરમાંથી વિદાય કરી શકે છે. પછી ધારો કે તેનાથી છૂટા થયા બાદ તે સ્ત્રી બીજા પુરુષ સાથે લગ્ન કરે, અને તે માણસ પણ તેના પ્રત્યે નારાજ થાય અને તે પણ તેને ફારગતી પત્ર લખી તેના હાથમાં આપી તેને પોતાના ઘરમાંથી વિદાય કરે અથવા તે બીજો પતિ મરણ પામે, તો તે સ્ત્રીનો પ્રથમ પતિ તેની સાથે પુનર્લગ્ન કરી શકે નહિ. તે સ્ત્રી તેને માટે અશુધ ગણાય. જો તે માણસ એ સ્ત્રી સાથે ફરીથી લગ્ન કરે તો એ વાત પ્રભુની દૃષ્ટિમાં ધિક્કારપાત્ર ગણાશે. જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને વારસા તરીકે આપે છે તેને તમારે અશુધ કરવો નહિ. “જો કોઈ માણસ તાજેતરમાં પરણ્યો હોય તો તેને લશ્કરમાં મોકલવો નહિ. તેમજ તેને કોઈ ધંધામાં રોકવામાં ન આવે. તે એક વર્ષ સુધી બધી જવાબદારીથી મુક્ત રહી પોતાને ઘેર રહે અને પોતાની પત્નીને પ્રસન્‍ન કરે. “કોઈપણ માણસે ઘંટી કે ઘંટીનું ઉપલું પડ ગીરે લેવું નહિ; નહિ તો એ માણસની આજીવિકા ગીરે લીધી ગણાશે. “જો કોઈ માણસ સાથી ઇઝરાયલીનું અપહરણ કરે અને તેને ગુલામ તરીકે રાખતાં કે વેચતાં પકડાઈ જાય તો તે અપહરણકાર મૃત્યુદંડ પામે. એ પ્રમાણે તમારી વચમાંથી તમારે દુષ્ટતા દૂર કરવી. “રક્તપિત્તના રોગ વિષે સાવધ રહેજો. એ રોગની બાબતમાં લેવીકુળના યજ્ઞકારોને મેં આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ તમને જે શિક્ષણ આપે તેનું ખંતથી પાલન કરજો. તમે ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા ત્યારે માર્ગમાં તમારા ઈશ્વર પ્રભુએ મિર્યામને સજા કરી હતી તે યાદ રાખો. “જ્યારે તમે કોઈ માણસને નાણાં ધીરો ત્યારે કોઈ વસ્તુ ગીરે લેવા માટે તેના ઘરમાં પ્રવેશ કરવો નહિ. તમારે તેના ઘરની બહાર ઊભા રહેવું અને નાણાં ઉછીના લેનાર માણસ પોતે ગીરે મુકવાની વસ્તુ બહાર લાવે. જો તે માણસ ગરીબ હોય અને ગીરો તરીકે તને પોતાનો ડગલો આપે તો ગીરે લીધેલી એ વસ્તુ રાખીને તેમાં સૂઈ જશો નહિ. સૂર્યાસ્ત થતાં સુધીમાં તારે તેને તે ડગલો જરૂર પાછો આપવો જેથી એ પહેરીને તે સૂઈ શકે અને તે તને આશીર્વાદ આપે. તમારા ઈશ્વર પ્રભુની દૃષ્ટિમાં એ સદાચરણ ગણાશે. “કોઈ ગરીબ અને ગરજવાન મજૂર, પછી તે સાથી ઇઝરાયલી હોય કે તમારા નગરમાં વસતો પરદેશી હોય, પણ તમે તેના પર જુલમ કરશો નહિ. સૂર્યાસ્ત થયા પહેલાં તમે તેને તેનું દૈનિક વેતન ચૂકવી દો. તે તંગીમાં છે અને તેથી તેના પર તેનું ચિત્ત ચોંટેલું છે. જો તમે તેનું વેતન નહિ ચૂકવો તો તે પ્રભુ આગળ તમારી વિરુધ પોકાર કરશે અને તમે દોષિત ઠરશો. “સંતાનના ગુનાહા માટે માબાપને મૃત્યુદંડની સજા મળે નહિ અને માબાપના અપરાધ માટે સંતાનોને મૃત્યુદંડની સજા મળે નહિ. દરેક માણસ પોતે કરેલા અપરાધ માટે જ મૃત્યુદંડ પામે. “પરદેશી અથવા અનાથોને ન્યાયથી વંચિત રાખવા નહિ, વિધવાનું વસ્ત્ર ગીરે લેવું નહિ. યાદ રાખો કે તમે પણ ઇજિપ્તમાં ગુલામ હતા અને તમારા ઈશ્વર પ્રભુએ તમને ત્યાંથી મુક્ત કર્યા. એ માટે જ આ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું. “જ્યારે તમે કાપણી કરતા હો અને ખેતરમાં પૂળો ભૂલી જાઓ તો તે લેવા પાછા જશો નહિ. પરદેશી, અનાથ અને વિધવાઓ માટે એ રહેવા દો. એમ કરવાથી તમારા ઈશ્વર પ્રભુ તમારાં સર્વ કાર્યોમાં તમને આશીર્વાદ આપશે. ઓલિવવૃક્ષ પરથી તેનાં ફળ ઝૂડી લીધા પછી ડાળીઓ પર રહી ગયેલાં ફળ ફરી વેળી લેશો નહિ; પરદેશી, અનાથ અને વિધવા માટે એ રહેવાં દેવાં. જ્યારે તમારી દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષોનો પાક ઉતારો ત્યારે રહી ગયેલી દ્રાક્ષો ફરી વીણશો નહિ; પરદેશી, અનાથ અને વિધવા માટે તે રહેવા દો. યાદ રાખો કે તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા; અને એ માટે જ આ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું. “જો બે માણસો તેમની વચ્ચેની તકરાર માટે ન્યાયપંચ પાસે જાય તો ન્યાયાધીશોએ અદલ ન્યાયચુકાદો આપવો: તેમણે નિર્દોષ વ્યક્તિને નિર્દોષ જાહેર કરવી, પણ ગુનેગારને સજા કરવી. જો દોષિત વ્યક્તિ ફટકાની સજાને પાત્ર હોય તો ન્યાયાધીશ તેને ઊંધે માથે સુવડાવે અને પોતાની હાજરીમાં જ ફટકા મરાવે. ફટકાની સંખ્યા ગુનાના પ્રમાણમાં હોવી જોઈએ. તે માણસને ચાલીસ ફટકા મારી શકાય, પણ તેથી વધારે નહિ. એ કરતાં વધારે ફટકા મારવામાં આવે તો સાથી ઇઝરાયલીની જાહેરમાં નામોશી કરવા જેવું ગણાશે. “તમે અનાજ છૂટું પાડવા માટે બળદને કણસલા પર ફેરવતા હો ત્યારે તેને મોંઢે જાળી બાંધવી નહિ. “બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમનાંમાંનો એક મૃત્યુ પામે પણ તેને પુત્ર ન હોય તો મરનારની વિધવા કુટુંબની બહાર કોઈ અજાણ્યા પુરુષ સાથે લગ્ન ન કરે. પણ તેનો દિયર તેની સાથે લગ્ન કરે અને તે સ્ત્રી પ્રત્યે દિયર તરીકેની પોતાની ફરજ બજાવે અને ભાઈ માટે સંતતિ ઉપજાવે. તેનાથી એ સ્ત્રીને પ્રથમ પુત્ર જન્મે તે મરનાર ભાઈનો પુત્ર ગણાય; જેથી તે ભાઇનું નામ ઇઝરાયલમાંથી નાબૂદ ન થાય. પરંતુ જો તે માણસ પોતાના ભાઇની વિધવા સાથે લગ્ન કરવા ન ચાહે તો તે સ્ત્રી નગરના વડીલો સમક્ષ જાય અને કહે, ‘મારો દિયર મારા પ્રત્યે દિયર તરીકેની ફરજ બજાવવા ચાહતો નથી અને ઇઝરાયલમાં પોતાના ભાઇનો વંશ ચાલુ રાખવા માગતો નથી.’ ત્યારે તેના નગરના વડીલો તે માણસને બોલાવીને તેને સમજાવે. તે પછી પણ જો તે માણસ હઠાગ્રહી બનીને તેની ભાભી સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરે, તો તે સ્ત્રી નગરના વડીલોની હાજરીમાં તે માણસ પાસે જઈને તેનું પગરખું કાઢી નાખે અને તેના મોંઢા પર થૂંકે અને આમ બોલે, ‘પોતાના ભાઈનો વંશવેલો ચાલુ રાખવાનો ઈનકાર કરનાર માણસ આ રીતે ધિક્કારપાત્ર બનો.’ પછી તે માણસનું કુટુંબ ઇઝરાયલમાં ‘પગરખું કાઢવામાં આવેલ માણસનું કુટુંબ’ એ રીતે ઓળખાશે. “બે માણસો લડતા હોય ત્યારે તેમનામાંથી એક માણસની પત્ની પોતાના પતિને મારનાર માણસની પકડમાંથી છોડાવવા મદદે જાય અને હાથ લાંબો કરી પેલા માણસના ગુહ્યાંગને કચડી નાખે; તો તમારે તે સ્ત્રીની હથેલી કાપી નાખવી અને તેના પ્રત્યે લેશમાત્ર દયા દાખવવી નહિ. “તમારી ઝોળીમાં એક જ વજન દર્શાવતાં એક ભારે અને એક હલકું એમ બે કાટલાં ન રાખવાં. એ જ પ્રમાણે તમારા ઘરમાં એક જ પ્રમાણ દર્શાવતાં પણ એક મોટું અને એક નાનું એમ બે માપ ન રાખવાં. પરંતુ તમારે સાચાં અને અદલ કાટલાં અને માપ રાખવાં; જેથી જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેમાં તમે દીર્ઘ સમય વાસ કરો. જેઓ જુદાં જુદાં કાટલાં અને માપ વાપરીને લોકોને છેતરે છે તેમને તમારા ઈશ્વર પ્રભુ ધિક્કારે છે. “જ્યારે તમે ઇજિપ્ત દેશમાંથી નીકળીને આવતા હતા ત્યારે અમાલેકીઓએ તમારા પ્રત્યે કેવો વર્તાવ કર્યો તે યાદ રાખો. તેમને ઈશ્વરનો પણ ભય નહોતો, અને તેથી જ્યારે તમે થાકીને નિર્ગત થઈ ગયા હતા, ત્યારે તમારી પાછળના ભાગમાં ધીમેધીમે ચાલનાર નિર્બળ લોકો પર આક્રમણ કરીને તેમણે તેમનો સંહાર કર્યો હતો. તેથી તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસામાં આપે છે, તેમાં જ્યારે તમારી આસપાસના સર્વ શત્રુઓથી તે તમને સહીસલામતી બક્ષે ત્યારે તમારે સર્વ અમાલેકીઓનો સંહાર કરવો; અને આકાશ તળેથી તેમનું નામનિશાન ભૂંસી નાખવું; એ તમે ભૂલશો નહિ. “જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને વારસામાં આપે છે તેમાં જ્યારે તમે વસવાટ કરો, ત્યારે તે દેશની ભૂમિમાંથી થયેલી તમારી બધી પેદાશનાં થોડાં પ્રથમફળ એક ટોપલીમાં લઈને તમારે તમારા ઈશ્વર પ્રભુએ પોતાના નામની ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થળે જવું. તે સમયે હોદ્દા પર જે યજ્ઞકાર હોય તેની પાસે જઈને તેને કહેવું, “આજે હું તારા ઈશ્વર પ્રભુ સમક્ષ એકરાર કરું છું કે જે દેશ પ્રભુએ આપણા પૂર્વજોને અને આપણને આપવાના શપથ લીધા હતા તેમાં હું આવી પહોંચ્યો છું. “પછી યજ્ઞકાર તમારા હાથમાંથી ટોપલી લઈ તેને તમારા ઈશ્વર પ્રભુની વેદી પાસે મૂકે. તે વખતે તમારે તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ આ પ્રમાણે એકરાર કરવો: ‘મારો પૂર્વજ મૃત્યુને આરે આવેલો એક અતિ વૃધ અરામી હતો. તે તેના કુટુંબને લઈને ઇજિપ્ત દેશમાં ગયો અને ત્યાં તેમણે વસવાટ કર્યો. તેઓ ત્યાં ગયા ત્યારે સંખ્યામાં જૂજ હતા. પરંતુ તેઓ એક મહાન, બળવાન અને સંખ્યાવાન પ્રજા બન્યા. તેથી ઇજિપ્તના લોકોએ અમારા પર જુલમ કર્યો, અમને ખૂબ કષ્ટ દીધું અને અમારી પાસે સખત મજૂરી કરાવી. ત્યારે અમે અમારા પૂર્વજોના ઈશ્વરને પોકાર કર્યો. પ્રભુએ અમારો પોકાર સાંભળ્યો અને તેમણે અમારાં દુ:ખ, અમારો સખત પરિશ્રમ અને અમારા પર ગુજરતો જુલમ જોયાં. પ્રભુએ પોતાનો હાથ લંબાવીને તેમના પ્રચંડ બાહુબળથી અમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, અને તે માટે તેમણે ભારે આતંકજન્ય અજાયબ કાર્યો અને ચમત્કારો કર્યા. તેમણે અમને આ સ્થળે લાવીને આ દૂધમધની રેલમછેલવાળો દેશ આપ્યો છે; તેથી હે પ્રભુ, તમે આપેલ ભૂમિના પાકનું પ્રથમફળ હવે હું લાવ્યો છું.’ “પછી પ્રથમફળની બે ટોપલી પ્રભુની વેદીની સમક્ષ ધરીને તમારે ઈશ્વર પ્રભુ સમક્ષ નતમસ્તકે ભૂમિ પર પડીને નમન કરવું. ત્યાર પછી તમને અને તમારા કુટુંબને પ્રભુએ આપેલાં સારાં વાનાંથી આભારી થઈને તમારી વચમાં રહેનાર લેવીઓ અને પરદેશીઓ સાથે આનંદોત્સવ કરવો. “દર ત્રીજું વર્ષ દશાંશ ચૂકવવાનું વર્ષ છે. તમારી સર્વ ઊપજનો દશાંશ તમારા નગરમાં વસતા પરદેશીઓ, અનાથો અને વિધવાઓને વહેંચી આપવો; જેથી એ દરેકને પોતાની જરૂરિયાત પ્રમાણે આહાર મળી રહે. એ પ્રમાણે કર્યા પછી તમારે તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ આ પ્રમાણે એકરાર કરવો: ‘મારા ઘરમાં પવિત્ર દશાંશનો કોઈ હિસ્સો બાકી રહ્યો નથી. તમારી આજ્ઞા પ્રમાણે મેં તે લેવીઓને, પરદેશીઓને, અનાથોને અને વિધવાઓને આપ્યો છે, અને દશાંશ વિષેની તમારી એકપણ આજ્ઞા મેં ઉથાપી નથી કે વીસરી ગયો નથી. મારા શોકમાં પણ મેં એ દશાંશોમાંથી કંઈ ખાધું નથી; હું વિધિપૂર્વક અશુધ હતો ત્યારે મેં તે ઘર બહાર કાઢયું નથી; કે તેમાંથી મેં મૃતકો માટે પણ કંઈ હિસ્સો આપ્યો નથી. હે મારા ઈશ્વર પ્રભુ, તમારી વાણીને આધીન થઈને મેં તમારા ફરમાવ્યા મુજબની બધી આજ્ઞાઓ પાળી છે. હે પ્રભુ, તમારા આકાશમાંના પવિત્ર નિવાસસ્થાનમાંથી નીચે જુઓ અને તમારા ઇઝરાયલી લોકને આશીર્વાદ આપો અને અમારા પૂર્વજોને આપેલ વચન પ્રમાણે દૂધમધની રેલમછેલવાળો જે દેશ તમે અમને આપ્યો છે તેને પણ આશીર્વાદ આપો. “આજે તમારા ઈશ્વર પ્રભુ તમને તેમના સર્વ ફરમાનો અને આદેશોનું પાલન કરવા આજ્ઞા આપે છે. તેથી તમારા પૂરા દયથી અને પૂરા જીવથી તમે તેમનું પાલન કરો. આજે તમે એકરાર કર્યો છે કે, એકમાત્ર યાહવે તમારા ઈશ્વર છે અને તમે વચન આપ્યું છે કે તમે તેમના માર્ગોમાં ચાલશો અને તેમની વાણીને આધીન રહીને તેમની સર્વ આજ્ઞાઓ, ફરમાનો અને નિયમોનું પાલન કરશો. એ જ પ્રમાણે પ્રભુએ પણ ઘોષણા કરી છે કે તમને આપેલા તેમના વચન પ્રમાણે તમે તેમના વિશિષ્ટ લોક છો અને તમારે તેમની સર્વ આજ્ઞાઓનું પાલન કરવું. અને પોતે ઉત્પન્‍ન કરેલી સર્વ પ્રજાઓ કરતાં તમને વિશેષ પ્રશંસા, કીર્તિ અને સન્માન આપવાનું પ્રભુએ જણાવ્યું છે અને તેમના વચન પ્રમાણે તમે તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા થશો.” પછી મોશેએ અને ઇઝરાયલના વડીલોએ લોકોને આજ્ઞા આપતાં કહ્યું, “જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને આપું છું તેમનું પાલન કરજો. તમે યર્દન નદી પાર કરીને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેમાં પ્રવેશ કરો ત્યારે તમારે મોટા પથ્થરો ઊભા કરવા અને તેમના પર ચુનાનો લેપ કરવો. અને તેમના પર આ નિયમના સર્વ શબ્દો લખવા. તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ આપેલા વચન પ્રમાણે તમને યર્દન ઓળંગીને પ્રભુ તમારા ઈશ્વર તમને દૂધમધની રેલમછેલવાળો જે દેશ આપે છે તેમાં તમે જાઓ ત્યારે આજે હું તમને જે સૂચના આપું છું તે પ્રમાણે તમારે એ પથ્થરો એબાલ પર્વત પર ઊભા કરવા અને તેમના પર ચુનાનો લેપ કરવો. અને ત્યાં તમારે તમારા ઈશ્વર પ્રભુને માટે જેના પર લોઢાનું કોઈ ઓજાર વપરાયું ન હોય એવા પથ્થરોની એક વેદી બાંધવી; પ્રભુની વેદી પણ ઘડાયા વગરના આખા પથ્થરોથી બંધાવી જોઈએ. તે વેદી પર તમારે તમારા ઈશ્વર પ્રભુને દહનબલિ ચડાવવા; તે પર તમારે તમારાં સંગતબલિ ચડાવવા અને તેમાંથી ખાવું અને તમારા ઈશ્વર પ્રભુના સાનિધ્યમાં આનંદોત્સવ કરવો. તમારે આ સર્વ નિયમોના શબ્દો તે પથ્થરો પર સુવાચ્ય અક્ષરે લખવા. પછી મોશે અને લેવીકુળના યજ્ઞકારોએ ઇઝરાયલના સર્વ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, શાંત રહો અને સાંભળો; આજે તમે તમારા ઈશ્વર યાહવેના લોક બન્યા છો. તેથી તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન રહીને જે આજ્ઞાઓ અને વિધિઓ હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન કરજો. તે જ દિવસે મોશેએ લોકોને આજ્ઞા આપી, “જ્યારે તમે યર્દન પાર કરીને જાઓ, ત્યારે પ્રભુના લોક પર આશીર્વાદ ઉચ્ચારવા માટે શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યોસેફ તથા બિન્યામીનનાં કુળોના લોકો ગરીઝીમ પર્વત પર ઊભા રહે. એમ જ શાપ ઉચ્ચારવા માટે રૂબેન, ગાદ, આશેર, ઝબુલૂન, દાન તથા નાફતાલીનાં કુળોના લોકો એબાલ પર્વત પર ઊભા રહે.” ત્યારે લેવીકુળના યજ્ઞકારો ઇઝરાયલી લોકોને આ શબ્દો મોટે સાદે કહે: ‘પ્રભુ જેને ધિક્કારે છે એ પથ્થરની, લાકડાંની કે ધાતુની મૂર્તિ બનાવીને ગુપ્તમાં તેની ભક્તિ કરનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. ‘પોતાના પિતા કે માતાનું અપમાન કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. ‘પોતાના પડોશીની જમીનની હદનો પથ્થર ખસેડનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. ‘આંધળા માણસને ખોટે માર્ગે દોરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. ‘પરદેશી, અનાથ કે વિધવાનો અન્યાય કરનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. ‘પોતાના પિતાની પત્ની સાથે સમાગમ કરી તેના પર નામોશી લાવનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. ‘પ્રાણી સાથે સમાગમ કરનાર શાપિત હો.’ ત્યારે સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. ‘પોતાની બહેન એટલે પિતાની પુત્રી કે માતાની પુત્રી સાથે સમાગમ કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. ‘પોતાની સાસુ સાથે સમાગમ કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. ‘પોતાના પડોશીની ગુપ્ત રીતે હત્યા કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. ‘નિર્દોષજનની હત્યા કરવા લાંચ લેનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. ‘પ્રભુના સર્વ નિયમોનું સમર્થન ન કરનાર અને તેમનું પાલન ન કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’. “જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને ખંતથી આધીન થશો અને તેમની જે સર્વ આજ્ઞાઓ આજે હું તમને ફરમાવું છું તેમનું કાળજીપૂર્વક પાલન કરશો તો તમારા ઈશ્વર પ્રભુ તમને પૃથ્વી પરની બધી પ્રજાઓમાં સર્વોચ્ચ સ્થાને સ્થાપશે. જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થશો તો આ બધા આશીર્વાદો તમારા પર ઊતરી આવશે: “તમે નગરમાં આશીર્વાદિત થશો અને ખેતરમાં પણ આશીર્વાદિત થશો. “તમારાં પેટનાં સંતાન, તમારા ખેતરની પેદાશ, તમારાં ઢોરઢાંકનાં બચ્ચાં અને તમારાં ઘેટાંબકરાનાં બચ્ચાં આશીર્વાદિત થશે. “તમારી અન્‍નફળની ટોપલી તથા તમારા આટાનો થાળ આશીર્વાદિત થશે.” “તમારી સર્વ અવરજવરમાં તમે આશીર્વાદિત થશો. “તમારા પર આક્રમણ કરનાર તમારા શત્રુઓને પ્રભુ હાર પમાડશે. તેઓ તમારા પર એક માર્ગે હુમલો કરશે, પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે. “પ્રભુ તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ આપશે અને તમારી વખારોને ધાન્યથી ભરી દેશે અને જે દેશ તે તમને આપે છે તેમાં તે તમને આશીર્વાદિત કરશે. “જો તમે તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાઓ પાળશો અને તેમના માર્ગોમાં ચાલશો તો તેમના શપથ પ્રમાણે તે તમને પોતાના પવિત્ર લોક તરીકે સંસ્થાપિત કરશે. તમે યાહવેને નામે ઓળખાતા તેમના પસંદિત લોક છો એ જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ તમારો ડર રાખશે. જે દેશ તમને આપવા વિષે પ્રભુએ તમારા પૂર્વજો સમક્ષ શપથ લીધા હતા તે દેશમાં પ્રભુ તમને પુષ્કળ સંતાનો, પુષ્કળ ઢોરઢાંક અને વિપુલ પાક આપશે. પ્રભુ આકાશમાંના પોતાના અખૂટ ભંડાર ખોલીને તમારા દેશ પર ઋતુસર વરસાદ મોકલશે અને તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ રેડશે; જેથી તમે ઘણી પ્રજાઓને ઉછીનું આપશો, પણ તમે કંઈ ઉછીનું લેશો નહિ. પ્રભુ તમને બધી પ્રજાઓના અનુયાયી નહિ, પણ અગ્રેસર બનાવશે. તમે સૌના ઉપરી થશો; કોઈના તાબામાં નહિ હો. જો તમે પ્રભુની જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું. તેમનું ખંતથી પાલન કરો, તો તમે સદા આબાદ થશો અને કદી નિષ્ફળ જશો નહિ. અને જે આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનાથી ડાબે કે જમણે ફંટાઈને અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરવા ભટકી ન જાઓ તો એમ થશે. “પણ જો તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન નહિ થાઓ અને જે સર્વ આજ્ઞાઓ તથા ફરમાનો હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન નહિ કરો તો આ બધા શાપ તમારા પર ઊતરી આવશે અને તમને જકડી લેશે: “તમે નગરમાં શાપિત થશો અને ખેતરમાં પણ શાપિત થશો. “તમારી અન્‍નફળની ટોપલી અને તમારા આટાનો થાળ પણ શાપિત થશે. “તમારાં પેટનાં સંતાન, તમારા ખેતરની પેદાશ, તમારાં ઢોરઢાંકનાં બચ્ચાં અને તમારાં ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે. “તમારી સર્વ અવરજવરમાં તમે શાપિત થશો. “તમારાં દુરાચરણોને લીધે અને તમે પ્રભુનો ત્યાગ કર્યો હોવાથી જે કોઈ કાર્ય તમે હાથ પર લેશો તેમાં પ્રભુ તમારા પર શાપ, ગૂંચવણ અને ધમકી મોકલશે અને તમારો પૂરેપૂરો નાશ થશે અને તે સત્વરે થશે. તમે જે દેશનો કબજો લેવા જાઓ છો તેમાં તમારું નિકંદન થઈ જાય ત્યાં સુધી પ્રભુ તમારા પર રોગચાળો મોકલ્યા કરશે. પ્રભુ તમને ક્ષય રોગથી, તાવથી, સોજાથી અને ઉગ્ર તાવથી તથા દુકાળ, ગરમ લૂ અને ફુગથી પીડા દેશે અને તમારો વિનાશ થતાં સુધી એ બધાં તમારો પીછો કરશે. તમારા માથા ઉપર આકાશ તાંબા જેવું ધગધગી ઊઠશે અને વરસાદ પડશે નહિ અને તમારા પગ નીચેની ધરતી લોઢા જેવી સૂકી ભઠ્ઠ થઈ જશે. તમારો નાશ થઈ જાય ત્યાં સુધી પ્રભુ તમારા પર આકાશમાંથી ધૂળ અને ભૂકો વરસાવ્યા કરશે. “તમારા શત્રુઓ સામે પ્રભુ તમને પરાજય પમાડશે. તમે તેમના પર એક માર્ગે હુમલો કરશો, તો તેમની સામેથી સાત માર્ગે નાસી છૂટશો; અને તમારી દશા જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ કાંપી ઊઠશે. તમારા લોકોની લાશો ગીધો તથા જંગલી પ્રાણીઓનો ભક્ષ બનશે અને તેમને ત્યાંથી નસાડનાર કોઈ નહિ હોય! પ્રભુ તમને ઇજિપ્તના લોકોને થયા હતાં તેવાં ગૂમડાં, ગાંઠો, રક્તપિત્ત અને ખસ-ખૂજલીથી મારશે. એ ઉપરાંત ગાંડપણ, અંધાપો અને મગજની અસ્થિરતાથી પ્રભુ તમને પીડા દેશે. તમે ભરબપોરે આંધળા માણસની જેમ ફાંફાં મારશો. તમારા કોઈ કાર્યમાં તમને સફળતા મળશે નહિ. તમારા પર સતત જુલમ થશે અને તમે લૂંટાયા કરશો, પણ તમને બચાવનાર કોઈ નહિ હોય. “તમે સ્ત્રી સાથે સગપણ કરશો, પણ બીજો પુરુષ તેની સાથે સમાગમ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં કદી રહેવા પામશો નહિ. તમે દ્રાક્ષવાડી રોપશો પણ તેના ફળનો ઉપભોગ કરી શકશો નહિ. તમારી નજર આગળ તમારા બળદની ક્તલ કરવામાં આવશે, પણ તેનું માંસ તમે ખાવા પામશો નહિ. તમારા દેખતાં તમારા ગધેડાને બળજબરીથી લઈ જવામાં આવશે અને તે તમને પાછો મળશે નહિ. શત્રુઓ તમારા ઘેટાં છીનવી લેશે અને ત્યારે તમને મદદ કરનાર કોઈ નહિ હોય. તમારી નજર સામે જ તમારા પુત્રપુત્રીઓને અન્ય દેશના લોકોને ગુલામ તરીકે વેચવામાં આવશે. તેમને માટે ઝૂરી ઝૂરીને તમારી આંખો ઝાંખી થઈ જશે, પણ તમે કશું કરી શકશો નહિ. અજાણી પ્રજાઓ તમારી મહેનતની બધી પેદાશ લઈ જશે; પણ તમે તો સદા જુલમ વેઠયા કરશો અને તમને કચડી નાખવામાં આવશે. તમારી આંખો જે દૃશ્યો જોશે તેને લીધે તમે ગાંડા થઈ જશો. પ્રભુ તમારાં ધૂંટણ અને પગ પીડાકારક અને અસાય ધારાથી છાઈ દેશે અને પગના તળિયાથી માથાના તાલકા સુધી તમે ગૂમડાંથી ઢંકાઈ જશો. “જે દેશ વિષે તમે તથા તમારા પૂર્વજો જાણતા નથી તે દેશમાં પ્રભુ તમને તેમજ જે રાજા તમે પોતા પર નિયુક્ત કરશો તેને લઈ જશે. ત્યાં તમે અન્ય દેવોની લાકડાની તથા પથ્થરની મૂર્તિની પૂજા કરશો. જે સર્વ દેશોમાં તમે વેરવિખેર થઈ જશો તેમના લોકોમાં તમારી દશા જોઈને હાહાકાર મચી જશે. તેઓ તમારી ઠઠ્ઠા-મશ્કરી અને નિંદા કરશે. “તમે ખેતરમાં પુષ્કળ બી વાવશો, પણ થોડીક ફસલ લણશો. કારણ, તીડો તમારો પાક ખાઈ જશે. તમે દ્રાક્ષવાડીઓ રોપશો અને તેમની સંભાળ લેશો, પણ તમે દ્રાક્ષ વીણવા કે તેમનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ; કારણ, કાતરાઓ તે ખાઈ જશે. તમારી ભૂમિ પર સર્વત્ર ઓલિવ વૃક્ષ ઊગશે, પણ તમે તેનું તેલ શરીરે ચોળવા પામશો નહિ; કારણ, ઓલિવ ફળ ખરી પડશે. તમારે પુત્રો-પુત્રીઓ થશે પણ તમે તેમને ગુમાવશો, કેમ કે તેઓ યુધકેદી તરીકે દેશનિકાલ થશે. તમારાં સર્વ વૃક્ષ અને તમારો પાક તીડોનો ભક્ષ થઈ પડશે. “તમારી મધ્યે વસતા પરદેશીઓ વધારે અને વધારે સત્તા ધારણ કરશે, જ્યારે તમે તમારો અધિકાર ગુમાવતા જશો. તેઓ તમને નાણાં ધીરશે, પણ તમે તેમને ધીરશો નહિ. તેઓ અગ્રેસર થશે અને તમે અનુયાયીઓ થશો. “તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થયા નહિ અને તેમણે ફરમાવેલ આજ્ઞાઓ તથા વિધિઓનું પાલન કર્યું નહિ તેથી તમારો વિનાશ થતાં સુધી આ સર્વ શાપ તમારા પર આવશે અને તમારો પીછો કરીને તમે પકડી પાડશે. તેઓ તમારા પર અને તમારા વંશજો પર પ્રભુના ન્યાયચુકાદાના પુરાવા તરીકે સદા રહેશે; કારણ, પ્રભુએ તમને સર્વ પ્રકારની સમૃધિથી ભરપૂર કર્યા તોપણ તમે આનંદથી અને દયના ઉમળકાથી તમારા ઈશ્વર પ્રભુની સેવા કરી નહિ. તેથી પ્રભુ જે શત્રુઓને તમારી વિરૂધ મોકલશે તેમની તમે સેવા કરશો. તમે ભૂખ્યા, તરસ્યા, નગ્ન અને સંપૂર્ણ કંગાલિયત દશામાં તેમની વેઠ કરશો. તમારો નાશ થઈ જાય ત્યાં સુધી તે તમારી ખાંધ પર લોખંડની ઝૂંસરી મૂકશે. જેની ભાષા તમે જાણતા નથી એવી પ્રજાને પ્રભુ ખૂબ દૂરથી, એટલે છેક પૃથ્વીને છેડેથી તમારી વિરૂધ લાવશે. તે તમારા પર ગરૂડની જેમ તરાપ મારશે. તેઓ તો વૃધોનું માન ન રાખે કે યુવાનો પર દયા ન દાખવે એવી ક્રૂર અને બિહામણી પ્રજા હશે. તેઓ તમારાં ઢોરઢાંકનો તથા તમારા પાકનો ભક્ષ કરી જશે; પરિણામે તમે ભૂખે મરશો. તેઓ તમારો વિનાશ થાય ત્યાં સુધી તમારાં ધાન્ય, દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઢોરઢાંક તથા ઘેટાંબકરાં પડાવી લેશે. જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેનાં સર્વ નગરોની આસપાસ તેઓ ઘેરો ઘાલશે અને જેના પર તમને ભરોસો હશે તે ઊંચા અને કિલ્લેબંદી નગરો સર થાય ત્યાં સુધી ઘેરો ચાલુ રહેશે. “શત્રુઓ તમારાં નગરોને ઘેરો ઘાલીને તમને એવા સકંજામાં લેશે કે તમે તમારા ઈશ્વર પ્રભુએ આપેલાં તમારાં પોતાનાં જ સંતાનોનું માંસ ખાશો. એ ઘેરા અને સકંજાને લીધે એવી કારમી અછત ઊભી થશે કે તમારામાં સૌથી સદ્ગૃહસ્થ અને લાગણીશીલ હોય એવો પુરુષ પણ ખોરાકના અભાવે પોતાનાં જ કેટલાંક સંતાનોનો ભક્ષ કરશે અને તે એટલો સ્વાર્થી થઈ જશે કે પોતાના સગાભાઈ, પ્રાણપ્રિય પત્ની કે બચી ગયેલાં બાળકોને પણ એમાંથી વહેંચશે નહિ. *** તમારામાં કોઈ કોમળ અને નાજુક સ્ત્રી હોય કે જે કદી પગે ચાલીને ક્યાંય ગઈ ન હોય એવી સ્ત્રી પણ એમ જ કરશે. જ્યારે તમારા શત્રુઓ તમારા નગરને ઘેરો ઘાલશે અને તમને ભીંસમાં લેશે, ત્યારે વ્યાપક અછતને લીધે તે પોતાના પ્રિય પતિ પ્રત્યે, અરે, પોતાનાં જ પુત્રપુત્રીઓ પ્રત્યે સ્વાર્થભરી રીતે વર્તશે. એટલે સુધી કે તેને જન્મેલા બાળકને અને ઓરને છાનીમાની ખાઈ જશે. *** “જો તમે તમારા ઈશ્વર યાહવેના ગૌરવી અને ભયાવહ નામનું સન્માન કરવા માટે આ પુસ્તકમાં લખેલા સર્વ નિયમોનું કાળજીપૂર્વક પાલન નહિ કરો; તો પ્રભુ તમારા પર તથા તમારા વંશજો પર મરકીઓ, ભયંકર રોગચાળા અને અસાય રોગો મોકલશે. તમને જેમનો ખૂબ ડર હતો તે ઇજિપ્ત દેશના રોગો તે તમારા પર લાવશે અને તમે સાજા થશો નહિ. વળી, જે રોગ અને મરકીનાં નામ નિયમના આ પુસ્તકમાં લખેલાં નથી તેમને પણ પ્રભુ તમારો વિનાશ થાય ત્યાં સુધી તમારા પર લાવ્યા કરશે. તમે ભલે સંખ્યામાં આકાશના તારા જેટલા થાઓ, તોપણ તેમાંથી માત્ર જૂજ લોકો બચવા પામશે; કારણ, તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થયા નહિ. જેમ પ્રભુ તમારું કલ્યાણ કરવામાં અને તમારી વૃધિ કરવામાં આનંદ પામતા હતા તેમ હવે પ્રભુ તમારો વિનાશ કરવામાં અને તમારું નિકંદન કાઢવામાં આનંદ પામશે, અને તમે જે દેશનો કબજો લેવા જાઓ છો તેમાંથી તમારો ઉચ્છેદ કરી નંખાશે.” “પ્રભુ તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી સર્વ દેશોમાં વિખેરી નાખશે, અને ત્યાં જેમને તમે અથવા તમારા પૂર્વજો જાણતા નથી એવા અન્ય દેવોની લાકડાની તથા પથ્થરની મૂર્તિઓની પૂજા કરશો. એ દેશોમાં તમને કંઈ નિરાંત મળશે નહિ, તમારે અહીંતહીં રઝળવું પડશે. ત્યાં પ્રભુ તમને ધ્રૂજતું હૃદય, ધૂંધળી આંખો અને ઝૂરતું મન આપશે. તમારી જિંદગી હંમેશા જોખમમાં હશે. તમે રાતદિવસ ગભરાટમાં રહેશો અને સતત મોતના ભય હેઠળ જીવશો. તમારા મનમાં ગભરાટ હશે અને તમારી સમક્ષ ભયંકર દૃશ્યો હશે; તેથી સવારે તમે કહેશો, ‘હે ઈશ્વર, ક્યારે સાંજ પડે!’ અને સાંજે તમે કહેશો, ‘હે ઈશ્વર, ક્યારે સવાર થશે!’ જે માર્ગ વિષે મેં તમને વચન આપ્યું હતું કે તમે તે માર્ગ ફરી કદી જોશો નહિ, તે માર્ગે વહાણોમાં પ્રભુ તમને ફરીથી ઇજિપ્ત દેશમાં મોકલી દેશે; અને ત્યાં તમે ગુલામ તરીકે તમારા શત્રુઓને વેચાઈ જવા ચાહશો, પણ કોઈ તમને ખરીદશે નહિ.” હોરેબ પર્વત પર પ્રભુએ ઇઝરાયલના લોકો સાથે કરેલા કરાર ઉપરાંત મોઆબ દેશમાં તેમની સાથે જે કરાર કરવાની તેમણે મોશેને આજ્ઞા આપી તે નીચે પ્રમાણે છે: મોશેએ ઇઝરાયલના સર્વ લોકોને એકત્ર કરીને કહ્યું, “પ્રભુએ ઇજિપ્ત દેશમાં ફેરોની, તેના અધિકારીઓની અને તેના સમસ્ત દેશની કેવી દુર્દશા કરી તે બધું તમે નજરોનજર જોયું છે; એટલે, ભયાનક મરકીઓ, ચમત્કારો, તથા અજાયબ કાર્યો જોયાં છે. છતાં પ્રભુએ તમને આજદિન સુધી સમજવાની બુધિ, જોવાની આંખ કે સાંભળવાને કાન આપ્યા નથી. આ ચાલીસ વર્ષ દરમ્યાન મેં તમને વેરાન પ્રદેશમાં ચલાવ્યા છે; તમારાં શરીર પરનાં વસ્ત્રો ર્જીણ થઈ ગયાં નથી કે તમારાં પગરખાં ઘસાઈ ગયાં નથી. તમારા ખોરાકમાં કંઈ રોટલી અને પીણાં તરીકે માત્ર દ્રાક્ષાસવ કે જલદ આસવ જેવી રોજિંદી ચીજો નહોતી; પરંતુ પ્રભુએ તમારી બધી જરૂરિયાતો પૂરી પાડી, જેથી તમને ખાતરી થાય કે પ્રભુ તમારા ઈશ્વર છે. જ્યારે આપણે આ સ્થળે આવી પહોંચ્યા ત્યારે હેશ્બોન નગરનો રાજા સિહોન તથા બાશાન નગરનો રાજા ઓગ આપણી સામે યુધ કરવા ચડી આવ્યા, પણ આપણે તેમનો પરાજય કર્યો. તેમનો પ્રદેશ આપણે જીતી લીધો અને રૂબેનના કુળના, ગાદના કુળના તથા મનાશ્શાના અર્ધા કુળના લોકોને તે વારસા તરીકે વહેંચી આપ્યો. તો હવે આ કરારની શરતોનું ખંતથી પાલન કરો કે, જેથી તમારાં સર્વ કાર્યોમાં તમે સફળ થાઓ. “આજે તમારા ઈશ્વર પ્રભુની આગળ તમે સર્વ એકત્ર થયા છો; તમારા કુળોના આગેવાનો, તમારા વડીલો, તમારા અધિકારીઓ, ઇઝરાયલના સર્વ પુરુષો, બાળકો, સ્ત્રીઓ તેમ જ તમારી મધ્યે વસતા લાકડાં કાપનારા અને પાણી ભરનારા પરદેશીઓ સૌ ઉપસ્થિત છે. તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે આજે જે કરાર શપથપૂર્વક કરવા માગે છે તે પાળવાની જવાબદારી સ્વીકારો; જેથી તે આજે તમને પોતાના લોક તરીકે સ્થાપિત કરે અને તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબની સમક્ષ તેમણે જે શપથ લીધા તે પ્રમાણે તે તમારા ઈશ્વર બને. પ્રભુ શપથ સહિતનો આ કરાર માત્ર તમારી સાથે જ કરતા નથી, પરંતુ આજે પ્રભુની સમક્ષ ઉપસ્થિત થયેલા આપણ સર્વની સાથે તેમજ આપણી ભાવિ પેઢીના વંશજો સાથે પણ કરે છે. “(ઇજિપ્ત દેશમાં આપણે કેવી હાલતમાં રહેતા હતા અને બીજી પ્રજાઓની હદમાં થઈને કેવી મુશ્કેલીથી પસાર થયા તેની તમને ખબર છે. તમે તેમની મધ્યે તેમના દેવોની લાકડાની, પથ્થરની, ચાંદીની તથા સોનાની ઘૃણાજનક અને સૂગ ચડે તેવી મૂર્તિઓ જોઈ છે.) અહીં ઉપસ્થિત થયેલા લોકોમાંથી કોઈ પુરુષ કે સ્ત્રી, કોઈ કુટુંબ અથવા કુળના લોકો તમારા ઈશ્વર પ્રભુથી વિમુખ થઈને બીજી પ્રજાઓના દેવોની પૂજા કરવા લલચાઈ ન જાય એ વિષે ચોક્સાઈ રાખજો; તમારામાં કીરમાણીનો ક્તિલ અને ઝેરી છોડવો ઉગાડનાર જડ ન હોય એનો ખ્યાલ રાખજો. એથી મળતા શાપ વિષે સાંભળ્યા છતાં કોઈ મનમાં અહંકાર રાખીને ફાવે તેમ વર્તે અને ભલેને સૂકા સાથે લીલુંય બળી જાય એવું વલણ રાખે; તો એવી વ્યક્તિને પ્રભુ માફ નહિ કરે, પણ પ્રભુનો ક્રોધાવેશ તેના પર ભભૂકી ઊઠશે અને આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ તેના પર આવી પડશે; અને પ્રભુ આકાશ તળેથી તેનું નામનિશાન ભૂંસી નાખશે. પ્રભુ એવી વ્યક્તિને ઇઝરાયલના સર્વ કુળોના લોકો સમક્ષ દાખલારૂપ બનાવીને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારના સર્વ શાપ તેના પર લાવશે. “તમારાં સંતાનોની ભાવિ પેઢી અને દૂર દેશોથી આવનાર પરદેશીઓ ભવિષ્યમાં પ્રભુએ તમારા દેશ પર ઊતરેલા રોગો અને આફતો જોશે. પ્રભુએ પોતાના રોષમાં અને કોપમાં સદોમ, ગમોરા, આદમા અને સબોઈમનો વિનાશ કર્યો તેમના જેવી જ દશા તમારા દેશની થશે. એટલે કે, તેમાં ગંધક અને મીઠું જવાથી અને સૂકો ભઠ્ઠ થઈ જવાથી ત્યાં કંઈ વવાશે નહિ કે કંઈ ઊગશે નહિ. અરે, ત્યાં ઘાસ કે નકામા છોડ પણ ઊગશે નહિ. તે જોઈને પૃથ્વીની બધી પ્રજાઓ પૂછશે, ‘શા માટે પ્રભુએ તેમના દેશની આવી દુર્દશા કરી? તેમના ભારે અને ઉગ્ર કોપનું કારણ શું?’ ત્યારે લોકો જવાબ આપશે, ‘એનું કારણ એ કે તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુએ તેમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે તેમની સાથે તેમણે જે કરાર કર્યો હતો તેનો તેમણે ત્યાગ કર્યો, અને તેઓ પહેલાં જાણતા નહોતા અને જેમને ભજવા માટે નિયુક્ત કર્યા નહોતા એવા અન્ય દેવદેવીઓની તેમણે સેવાપૂજા કરી. તેથી પ્રભુનો ક્રોધાગ્નિ એ દેશ વિરુધ ભભૂકી ઊઠયો અને આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ તે તેમના પર લાવ્યા. પ્રભુએ ભારે ક્રોધાવેશમાં અને તેમના ઉગ્ર રોષમાં તેમને તેમના દેશમાંથી ઉખેડી નાખ્યા અને વિદેશમાં ધકેલી દીધા અને આજે પણ તેઓ ત્યાં જ છે.” “કેટલીક બાબતો આપણા ઈશ્વર પ્રભુએ આપણાથી ગુપ્ત રાખી છે, પરંતુ તેમણે તેમના નિયમો આપણે માટે પ્રગટ કર્યા છે, જેથી આપણે અને આપણા વંશજો તેમનું સદાસર્વદા પાલન કરીએ. “હવે તમારી પસંદગીને માટે મેં તમારી આગળ આશીર્વાદ અને શાપ રજૂ કર્યા છે. જ્યારે આ સર્વ બાબતો તમારા પર આવી પડે અને પ્રભુએ તમને વેરવિખેર કરી નાખ્યા હોય તે દેશોમાં તમે વસતા હો ત્યારે જે પસંદગી મેં તમારી સમક્ષ મૂકી હતી તે તમને યાદ આવશે. જો તમે અને તમારા વંશજો તમારા ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરશો અને તેમની જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને આપું છું તેમનું પૂરા દયથી અને પૂરા મનથી પાલન કરશો; તો તમારા ઈશ્વર પ્રભુ તમારા પર દયા કરીને તમારી દુર્દશા પલટી નાખીને તમને આબાદ કરશે. જે દેશોમાં તેમણે તમને વિખેરી નાખ્યા હતા ત્યાંથી તે તમને તમારા દેશમાં પાછા એકત્ર કરશે. અરે, જો તમારામાંના કેટલાક પૃથ્વીના છેડા સુધી દેશનિકાલ કરાયા હશે, તો ત્યાંથી પણ તમારા ઈશ્વર પ્રભુ તમને પાછા લાવીને એકત્ર કરશે. જ્યાં તમારા પૂર્વજો અગાઉ વસતા હતા તે ભૂમિનો તમે ફરીથી કબજો લેશો. તમારા પૂર્વજોના કરતાંય તમે વધારે સમૃધ અને સંખ્યાવાન થશો. તમે તમારા ઈશ્વર પ્રભુના કરારને આધીન થાઓ તે માટે તે તમારાં તથા તમારાં વંશજોના હૃદયોની સુન્‍નત કરશે જેથી તમે તમારા ઈશ્વર પ્રભુ પર પૂરા દયથી અને પૂરા મનથી પ્રેમ રાખતા થશો, અને એમ તમે જીવતા રહેવા પામશો. તમારા ઈશ્વર પ્રભુ તમારો તિરસ્કાર કરનાર અને તમારા પર જુલમ કરનાર તમારા શત્રુઓ પર આ સર્વ શાપ લાવશે. તમે ફરીથી પ્રભુની વાણીને આધીન થશો અને જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનું પાલન કરશો. પ્રભુ તમારા હિતાર્થે તમારા હાથનાં સર્વ કાર્યોમાં સફળતા બક્ષશે. તમારી સંતતિ અને તમારાં ઢોરઢાંક વધારશે અને તમારાં ખેતરો મબલક પાક ઉપજાવશે. કારણ, જેમ પ્રભુ તમારા પૂર્વજો પર પ્રસન્‍ન હતા તેમ તે તમારા પર પણ પ્રસન્‍ન થઈને તમને સમૃધ કરશે. પરંતુ તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થઈને આ પુસ્તકમાં લખેલા નિયમો અને ફરમાનોનું ખંતથી પાલન કરો અને તમારા ઈશ્વર પ્રભુ પ્રતિ સંપૂર્ણ દયથી અને પૂરા મનથી પાછા ફરો તો એમ થશે. “વળી, આ જે આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે પાળવાનું તમારે માટે મુશ્કેલ નથી કે તે તમારાથી દૂર નથી. તે ઉપર આકાશમાં નથી કે તમારે એમ કહેવું પડે કે, ‘કોણ અમારે માટે આકાશમાં જઈને તે અમારી પાસે લાવે કે અમે તે સાંભળીએ અને તેનું પાલન કરીએ?’ વળી, તે સમુદ્રને પેલે પાર નથી કે તમારે એમ પૂછવું પડે કે, ‘કોણ અમારે માટે સમુદ્રને પેલે પાર જઈને તે અમારી પાસે લાવે કે અમે તે સાંભળીએ અને તેનું પાલન કરીએ?’ પરંતુ એ આજ્ઞા તો તમારી પાસે જ છે. તે તમારા મુખમાં અને તમારા હૃદયમાં છે માટે તમે તેનું પાલન કરો. “આજે હું તમને જીવન અને મરણ વચ્ચે અને સારા અને નરસા વચ્ચે પસંદગી કરવાની તક આપું છું. તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવાની, તેમના માર્ગોમાં ચાલવાની અને તેમની સર્વ આજ્ઞાઓ તથા તેમના આદેશો અને ફરમાનોનું પાલન કરવાની જે આજ્ઞા હું આજે તમને આપું છું તેનું જો તમે પાલન કરશો તો તમારું કલ્યાણ થશે અને તમારી વંશવૃધિ થશે અને જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમારા ઈશ્વર પ્રભુ તમને આશીર્વાદ આપશે. પણ જો તમારું હૃદય ભટકી જાય, અને એ આજ્ઞાની ઉપેક્ષા કરશો અને લલચાઈ જઈને અન્ય દેવદેવીઓની સેવાપૂજા કરશો; તો હું આજે તમને ચેતવણી આપું છું કે તમે જરૂર નાશ પામશો. જે દેશનો કબજો લેવા તમે યર્દન ઓળંગીને જાઓ છો તેમાં લાંબો સમય વાસ કરી શકશો નહિ. આજે હું આકાશ તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી તરીકે રાખું છું કે મેં તમારી પસંદગી માટે તમારી આગળ જીવન અને મરણ તથા આશીર્વાદ અને શાપ મૂક્યાં છે; માટે જીવન પસંદ કરો કે જેથી તમે અને તમારાં સંતાનો જીવતાં રહો. તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવાનું, તેમની વાણીને આધીન થવાનું અને તેમને નિષ્ઠાપૂર્વક વળગી રહેવાનું પસંદ કરો; કારણ, તેથી તમે જીવન પામશો અને દીર્ઘ આયુષ્ય ભોગવશો, અને જે દેશ તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને આપવાના પ્રભુએ તેમની સમક્ષ શપથ લીધા હતા તેમાં તમે લાંબો સમય વાસ કરશો.” મોશેએ ઇઝરાયલીઓને પોતાનું સંબોધન જારી રાખતાં કહ્યું, “આજે હું એક્સો વીસ વર્ષનો થયો છું, અને તમને યુધની અવરજવરમાં દોરી શકું તેમ નથી. કારણ, પ્રભુએ મને કહ્યું છે કે, ‘તું યર્દન નદીની પેલે પાર જઈશ નહિ.’ પરંતુ તમારા ઈશ્વર પ્રભુ તમારી આગળ પેલે પાર જશે અને ત્યાં વસતી પ્રજાઓનો તમારી સમક્ષ નાશ કરશે, જેથી તમે તેમના દેશનો કબજો લઈ શકો અને પ્રભુએ કહ્યા પ્રમાણે યહોશુઆ તમને યર્દનને પેલે પાર લઈ જશે. જેમ પ્રભુએ અમોરીઓના રાજા સિહોન તથા ઓગ અને તેમના દેશનો વિનાશ કર્યો તે જ પ્રમાણે પ્રભુ એ પ્રજાઓનો વિનાશ કરશે. પ્રભુ તમને તેમના પર વિજય અપાવશે અને મેં જે સર્વ આજ્ઞાઓ તમને ફરમાવી છે તે પ્રમાણે જ વર્તજો. બળવાન અને હિંમતવાન થાઓ. તેમનાથી ડરશો નહિ કે ભયભીત થશો નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ પોતે તમારી સાથે જાય છે. તે તમને નિષ્ફળ થવા દેશે નહિ કે તમને તજી દેશે નહિ.” ત્યાર પછી મોશેએ યહોશુઆને બોલાવીને સર્વ ઇઝરાયલી લોકોની હાજરીમાં કહ્યું, “બળવાન અને હિંમતવાન થા; કારણ, જે દેશ આ લોકોને આપવા વિષે પ્રભુએ તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા તેનો કબજો લેવા તું જ આ લોકોને દોરી જશે. પ્રભુ પોતે તારા અગ્રેસર થશે અને તારી સાથે રહેશે. તે તને નિષ્ફળ થવા દેશે નહિ કે તને તજી દેશે નહિ. તેથી ડરીશ કે ભયભીત થઈશ નહિ.” ત્યાર પછી મોશેએ ઈશ્વરનો આ નિયમ લખીને પ્રભુની કરારપેટી સાચવનાર લેવીકુળના યજ્ઞકારોને તથા ઇઝરાયલના સર્વ વડીલોને તે આપ્યો. મોશેએ તેમને આજ્ઞા કરી કે, “દર સાત વર્ષને અંતે ઋણમુક્તિના વર્ષમાં માંડવાપર્વ દરમ્યાન મુકરર કરેલ સમયે તમારે એનું વાંચન કરવું. જ્યારે સર્વ ઇઝરાયલી લોકો તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થળે તેમની ભક્તિ માટે એકત્ર થાય ત્યારે તે તેમને વાંચી સંભળાવવો. સઘળા માણસોને, સ્ત્રીઓને, બાળકોને તથા તમારા નગરોમાં વસતા પરદેશીઓને એકઠા કરવા કે તેઓ સાંભળે અને શીખે તથા તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખે અને આ નિયમના સર્વ શિક્ષણનું ખંતથી પાલન કરે. એ રીતે તેમના વંશજો જેમણે પ્રભુના નિયમો સાંભળ્યા નથી તેઓ પણ તે વિષે સાંભળે અને જે દેશનો કબજો લેવા તમે યર્દન ઓળંગીને જાઓ છો તેમાં તમે અને તેઓ વાસ કરો ત્યાં સુધી પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખતાં શીખો.” ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “જો, તારા મૃત્યુનો દિવસ પાસે આવી રહ્યો છે; માટે યહોશુઆને બોલાવ અને તમે બંને મુલાકાતમંડપમાં હાજર થાઓ જેથી હું તેની નિમણૂક કરું.” મોશે અને યહોશુઆ મંડપમાં ગયા; અને પ્રભુ મંડપના પ્રવેશદ્વારે મેઘસ્તંભમાં પ્રગટ થયા. પ્રભુએ મોશેને કહ્યું, “હવે તું થોડા સમયમાં તારા પૂર્વજો સાથે પોઢી જશે. પછી આ લોકો મારી વિરુધ થઈ જશે, તેઓ મારો ત્યાગ કરશે અને મને બેવફા નીવડીને જે દેશમાં તેઓ વસવા જાય છે ત્યાંનાં અન્ય દેવદેવીઓને અનુસરશે, અને એમ તેમની સાથેનો મારો કરાર ઉથાપશે.” એમ થશે ત્યારે મારો કોપ તેમની વિરુધ સળગી ઊઠશે. હું વિમુખ થઈને તેમનો ત્યાગ કરીશ અને તેઓ શત્રુઓનો ભક્ષ થઈ પડશે. તેમને માથે ઘણાં દુ:ખ અને સંકટ આવી પડશે. ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા ઈશ્વર આપણી સાથે નહિ હોવાને લીધે જ આ દુ:ખો આપણી પર આવી પડયાં છે.’ પરંતુ તેમણે અન્ય દેવોને અનુસરીને જે સર્વ દુરાચાર કર્યા છે તેને લીધે હું તેમની ઉપેક્ષા કરીશ. “તેથી તું તમારે માટે આ ગીત લખી લે; તું ઇઝરાયલીઓને એ ગીત શીખવ, અને તેમને મુખપાઠ કરાવ; જેથી તે તેમની વિરુધ મારે માટે સાક્ષીરૂપ થાય. જેને વિષે મેં તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા એ દૂધમધની રેલમછેલવાળા દેશમાં હું તેમને લાવીશ અને ત્યાં તેઓ પુષ્કળ ખોરાક મળતાં તાજામાજા થશે ત્યારે તેઓ અન્ય દેવોને અનુસરીને તેમની પૂજા કરવા લાગશે; વળી, તેઓ મારો તિરસ્કાર કરશે અને મારો કરાર ઉથાપશે. તેથી જ્યારે તેમને માથે ઘણાં દુ:ખ તથા સંકટ આવી પડશે ત્યારે આ ગીત તેમની વિરુધ સાક્ષી પૂરશે; કારણ, આ ગીત તેમના વંશજોને યાદ હશે. અત્યારે પણ જે દેશ વિષે મેં શપથ લીધા છે તેમાં હું તેમને લાવું તે પહેલાં તેઓ કેવા ઈરાદા રાખે છે તે હું બરાબર જાણું છું.” આથી તે જ દિવસે મોશેએ તે ગીત લખી કાઢયું અને ઇઝરાયલના લોકોને શીખવ્યું. પછી પ્રભુએ નૂનના પુત્ર યહોશુઆની નિમણૂંક કરતાં તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થા. ઇઝરાયલીઓને જે દેશ આપવાના મેં શપથ લીધા છે તેમાં તું તેમને દોરી જશે અને હું તારી સાથે રહીશ.” જ્યારે મોશે આ નિયમોના શબ્દો, આરંભથી અંત સુધી એક પુસ્તકમાં લખી રહ્યો, ત્યારે તેણે પ્રભુની કરારપેટી સંભાળનાર લેવી યજ્ઞકારોને આજ્ઞા આપી: “આ નિયમનું પુસ્તક લો અને તેને તમારા ઈશ્વર પ્રભુની કરારપેટીની બાજુમાં મૂકો; જેથી તે ત્યાં તમારી વિરૂધ સાક્ષી તરીકે રહે. કારણ, તમે કેટલા હઠીલા અને બંડખોર છો તે હું જાણું છું. તમે તો મારી હયાતીમાં પ્રભુ વિરૂધ બંડ કર્યું છે, તો મારા મૃત્યુ પછી કેટલું વિશેષ બંડ કરશો! તમારાં સર્વ કુળોના વડીલોને તથા અધિકારીઓને મારી પાસે એકઠા કરો, જેથી આ બધી બાબતો હું તેમને કહી સંભળાવું અને આકાશ તથા પૃથ્વીને તેમની વિરૂધ મારા સાક્ષીરૂપે રાખું. કારણ, મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે તદ્દન ભ્રષ્ટ થઈ જશો અને જે માર્ગે ચાલવાનું મેં તમને ફરમાવ્યું છે તેમાંથી ગેરમાર્ગે ચડી જશો, અને ભવિષ્યમાં તમારા પર આપત્તિ આવી પડશે. કારણ, પ્રભુની દૃષ્ટિમાં જે અધમ છે તેવાં તમારાં દુરાચરણથી તમે તેમને કોપાયમાન કરશો.” ત્યારે મોશેએ ઈઝરાયલીઓના આખા સમાજના સાંભળતાં આખું ગીત આરંભથી અંત સુધી કહી સંભળાવ્યું: “હે આકાશો, મારા શબ્દો કાને ધરો; હે પૃથ્વી, મારી વાત યાનપૂર્વક સાંભળ. મારો બોધ વરસાદનાં ટીંપાંની માફક ટપકશે; મારું સંબોધન ઝાકળની જેમ ઝમશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસાદની જેમ તથા નવા છોડ પર ઝાપટાંની જેમ વરસશે; હું યાહવેના નામની ઘોષણા કરીશ; અને તમે આપણા ઈશ્વરની મહત્તા પ્રગટ કરો. તે તો ખડક જેવા છે; તેમનું કાર્ય સંપૂર્ણ છે. તેમના સર્વ માર્ગો ન્યાયપૂર્ણ છે. તે વિશ્વાસુ છે અને કદી દગો દેતા નથી. તે સાચા અને ન્યાયી છે. પણ તમે તો બેવફા નીવડીને તેમને દગો દીધો છે, તમે તો નઠારાં સંતાન છો, તમે તો કુટિલ અને વાંકી પેઢીના છો. ઓ નાદાન અને નિર્બુધ લોકો, તમે પ્રભુને આવો બદલો આપો છો? તે તમારા પિતા અને સર્જનહાર છે. તેમણે જ તમને એક પ્રજા બનાવીને સ્થાપિત કર્યા નથી? “ભૂતકાળના દિવસો સંભારો, વીતેલી પેઢીઓનાં વર્ષોને યાદ કરો, તમારા પિતાને પૂછો, એટલે તે તમને કહેશે. વૃધ લોકોને ભૂતકાળ વિષે પૂછો તો તેઓ કહેશે. સર્વોચ્ચ ઈશ્વરે પ્રજાઓને પ્રદેશ વહેંચી આપ્યા, જ્યારે તેમણે દેશજાતિઓનું વિભાજન કર્યું, ત્યારે દેવોની સંખ્યા પ્રમાણે તેમણે માનવપ્રજાઓને દેવો ફાળવી દીધા; પરંતુ યાકોબના વંશજોને તો પ્રભુએ પોતાનો હિસ્સો, પોતાને ફાળે આવેલ વારસો કરી લીધા છે. ‘પ્રભુએ રણમાં, વેરાન અને વિકટ પ્રદેશમાં તેમનું પોષણ કર્યું, તેમણે ચોતરફથી રક્ષણ કર્યું અને સંભાળ લીધી. પોતાની આંખની કીકીની જેમ તેમનું જતન કર્યું. જેમ ગરૂડ માળાને હચમચાવી નાખે છે અને પછી પડતાં બચ્ચાંની ઉપર ઊડયા કરે છે અને છેવટે પોતાની પાંખો પ્રસારીને તેમને ઝીલી લે છે, તેમ પ્રભુએ તેમને ઊંચકી લીધા. માત્ર પ્રભુએ જ તેમને દોર્યા, અને તેમની સાથે કોઈ પારકો દેવ નહોતો. “પ્રભુએ તેમને ઉચ્ચપ્રદેશોમાં વસાવ્યા, અને ખેતરોની પેદાશમાંથી ખવડાવ્યું; તેમણે ખડકોની બખોલમાં મળતા મધથી; પથરાળ પ્રદેશમાં પાંગરતાં ઓલિવવૃક્ષોના તેલથી, વળી, ગાયોનું માખણ, ઘેટાંબકરાંનું દૂધ, ઘેટાંબકરાંની ચરબી, બાશાન પ્રદેશના આખલા અને બકરાં અને ઉત્તમ પ્રકારના ઘઉં અને શ્રેષ્ઠ દ્રાક્ષાસવથી તેમનું પોષણ કર્યું. “પણ યશુરૂને, પ્રભુના લાડીલા લોકે આહારથી પુષ્ટ થઈને બંડ કર્યું; તેઓ ખાઈપીને વકરી ગયા, અને તાજામાજા થયા. તેમણે તેમના સર્જનહાર ઈશ્વરનો ત્યાગ કર્યો અને તેમના સમર્થ ઉધારકનો તિરસ્કાર કર્યો. અન્ય દેવોની પૂજા કરીને તેમણે પ્રભુને આવેશી બનાવ્યા, ઘૃણાજનક કાર્યો કરીને તેમણે પ્રભુને રોષ ચડાવ્યો. તેમણે ઈશ્વરને નહિ, પણ અશુધ આત્માઓને, જેમને તેઓ ઓળખતા નહોતા એવા દેવોને અને જેમને તેમના પૂર્વજોએ પૂજ્યા નહોતા એવા નવા દેવોને બલિદાન ચડાવ્યાં. તમને પેદા કરનાર ખડક્સમા ઈશ્વરની તમે ઉપેક્ષા કરી, અને તમારા જન્મદાતા ઈશ્વરને વીસરી ગયા. “એ બધું જોઈને પ્રભુને ઘૃણા ઊપજી અને તેમના પુત્રપુત્રીઓને તેમણે તજી દીધાં. તેમણે કહ્યું, ‘હું વિમુખ થઈને તેમની ઉપેક્ષા કરીશ, અને પછી જોઈશ કે તેમના કેવા હાલ થાય છે.’ કારણ, તેઓ તો હઠીલી પેઢી અને દગાખોર સંતાન છે. જે ઈશ્વર જ નથી તેમની પૂજા કરીને તેમણે મને ક્રોધિત કર્યો છે. પોતાની વ્યર્થ મૂર્તિઓથી તેમણે મને આવેશી બનાવ્યો; તેથી જેઓ પ્રજા નથી તેમના વડે હું તેમને ચીડવીશ અને મૂર્ખ પ્રજા વડે હું તેમને ક્રોધિત કરીશ. મારો કોપ અગ્નિ માફક ભભૂકે છે; અને મૃત્યુલોક શેઓલના તળિયા સુધી બધું ખાક કરે છે, પૃથ્વી અને તેની પેદાશને ભરખી જાય છે અને પર્વતોના પાયાઓને પણ સળગાવી મારે છે. “હું તેમના પર આફતોના ઢગલા ખડકીશ અને મારાં પૂરેપૂરાં તીર તેમના પર ફેંકીશ. તેઓ ભૂખમરાથી અને કારમા દુકાળથી વિનાશ પામશે; તેઓ ભયાનક રોગોથી મૃત્યુ પામશે. તેમને ફાડી ખાવાને હું જંગલી પશુઓ મોકલીશ, અને કરડવાને ઝેરી સાપો મોકલીશ. ઘરબહાર તલવાર તેમનો સંહાર કરશે અને તેઓ આંતકથી ઘરમાં ફફડી મરશે. યુવાનો અને યુવતીઓ મૃત્યુ પામશે. શિશુઓ અને વૃધો પણ માર્યા જશે. મેં તેમનો સંપૂર્ણપણે વિનાશ કર્યો હોત, કોઈ તેમનું સ્મરણ સુધાં ન કરે એવું કર્યું હોત; પણ મારી એવી ધારણા છે કે કદાચ તેમના શત્રુઓ ઊધું સમજશે અને બડાશ મારશે કે, ‘આ કંઈ પ્રભુથી થયું નથી, પણ અમારા બાહુબળથી તેમના લોક પર વિજય પામ્યા છીએ.’ “ઇઝરાયલ અબુધ પ્રજા છે, અને તેમનામાં કંઈ સમજણ નથી. જો, તેઓ શાણા અને સમજુ થયા હોત તો તેમણે પોતાના આખરી અંજામનો વિચાર કર્યો હોત. જો તેમના ખડક સમા ઈશ્વરે તેમને તજી દીધા ન હોત, અને તેમના પ્રભુએ તેમને શત્રુઓને હવાલે કર્યા ન હોત, તો શું શત્રુના એકે તેમના હજારને નસાડયા હોત? અથવા બે માણસે તેમના દશ હજારને હરાવ્યા હોત? તેમના શત્રુઓ જાણે છે કે તેમના દેવો કંઈ ઇઝરાયલના ઈશ્વર જેવા સમર્થ નથી. કડવી અને ઝેરી દ્રાક્ષ નીપજાવનાર દ્રાક્ષવેલાની જેમ તેમના શત્રુઓ સદોમ અને ગમોરાના લોકોના જેવા દુષ્ટ છે. તેઓ સાપનું ઝેર અને નાગના ક્તિલ વિષ ભેળવેલા દ્રાક્ષાસવ જેવા છે. શત્રુઓનું એ વેરઝેર મેં સંગ્રહી રાખ્યું છે, અને તેને મુદ્રા મારીને મારા ખજાનામાં રાખી મૂકાયું છે. વેર મારે વાળવાનું છે, બદલો મારે લેવાનો છે. હું રાહ જોઉં છું, તેમની પડતીના સમયનો, એમની આપત્તિનો દિવસ આવી પહોંચ્યો છે, તેમના પર આફત સત્વરે ઊતરશે.” જ્યારે પ્રભુ જોશે કે તેના લોક નિર્બળ થઈ ગયા છે, અને બંદિવાન કે મુક્ત કોઈ બાકી રહ્યો નથી; ત્યારે પ્રભુ પોતાના લોકને બચાવી લેશે અને પોતાના સેવકો પ્રતિ કરુણા દર્શાવશે. ત્યારે પ્રભુ તેમને પૂછશે, ‘તમે જે દેવો પર ભરોસો રાખતા હતા તેઓ ક્યાં છે? તમે તેમને તમારાં બલિદાનોની ચરબી ખવડાવી, અને દ્રાક્ષાસવ-અર્પણનો આસવ તેમને પીવડાવ્યો. તેઓ ભલે આવીને તમને મદદ કરે! તમને ઉગારવા તેઓ ભલે દોડી આવે! “હવે સમજો કે હું જ એકમાત્ર ઈશ્વર છું, મારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. હું મારું છું અને હું જીવાડું છું અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ જ નથી. હું મારો હાથ આકાશ તરફ ઉઠાવીને મારા જીવના શપથ લઈને કહું છું કે, જ્યારે હું મારી ચમક્તી તલવાર ધારદાર કરીશ, અને મારા હાથમાં ન્યાયદંડ ધારણ કરીશ, ત્યારે મારા શત્રુઓ પર હું વેર વાળીશ, અને મારા દ્વેષીઓને હું સજા કરીશ. સંહાર થયેલાઓના તથા બંદીવાન કરાયેલાના લોહીથી, શત્રુઓના સેનાનાયકોના શિરના રક્તથી, હું મારાં તીરોને લોહી પાઈને તૃપ્ત કરીશ અને મારી તલવાર તેમના માંસનો ભક્ષ કરશે. “હે પૃથ્વીની સર્વ પ્રજાઓ, પ્રભુના લોકોની પ્રશંસા કરો, કારણ કે તે પોતાના સેવકોના લોહીનો બદલો લેશે; અને પોતાના શત્રુઓ પર વેર વાળશે, અને પોતાના દેશનું તથા પોતાના લોકનું શુધિકરણ કરશે.” પછી મોશે લોકો પાસે આવ્યો અને તેણે તથા નૂનના પૂત્ર યહોશુઆએ લોકોના સાંભળતા આ ગીતના સર્વ શબ્દોનું રટણ કર્યું. જ્યારે મોશેએ લોકોને ઈશ્વરનું શિક્ષણ આપવાનું પૂરું કર્યું, ત્યારે તેણે તેમને કહ્યું, “જે સર્વ આજ્ઞાઓ મેં આજે સાક્ષી રૂપે આપી છે તે પર તમારું ચિત્ત લગાડો અને તમારા બાળકો આગળ એ દોહરાવજો, જેથી તેઓ વિશ્વાસુપણે ઈશ્વરના સર્વ શિક્ષણનું પાલન કરે. આ શિક્ષણ કોઈ નિરર્થક વાત નથી. કારણ, તેમાં તમારું જીવન છે અને જે દેશનો કબજો લેવા તમે યર્દનને પેલે પાર જાઓ છો ત્યાં તમે એ વાતથી જ લાંબો સમય વસવાટ કરી શકશો.” તે જ દિવસે પ્રભુએ મોશેને કહ્યું, “મોઆબ દેશમાં યરીખોની પૂર્વે આવેલ અબારીમ પર્વતમાળામાંના નબો પર્વત પર ચઢ અને જે કનાન દેશ હું ઇઝરાયલી લોકોને વારસા તરીકે આપું છું તેનું અવલોકન કર. *** જેમ તારો ભાઈ આરોન હોર પર્વત પર મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો એમ તું જે પર્વત ચડે છે ત્યાં મૃત્યુ પામીશ અને તારા પૂર્વજો સાથે મળી જઈશ. કારણ કે કાદેશ પ્રદેશના મરીબાના જળાશય પાસે સીનના રણમાં ઇઝરાયલ લોકોની વચમાં તેં મને મોટો મનાવ્યો નહિ, પણ એ લોકોની સમક્ષ મારું અપમાન કર્યું. તેથી તે દેશને તું દૂરથી જોશે પણ જે દેશ હું ઇઝરાયલીઓને આપું છું તેમાં તું પ્રવેશ કરવા પામશે નહિ.” ઈશ્વરભક્ત મોશેએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલી લોકોને જે આશીર્વાદો આપ્યા તે આ પ્રમાણે છે: તેણે કહ્યું, “પ્રભુ સિનાઈ પર્વતથી આવ્યા, સૂર્ય ઊગે તેમ અદોમથી તેમના પર પ્રગટયા, પારાન પર્વતથી પોતાના લોક પર પ્રકાશ્યા, દશ હજાર દૂતો પાસેથી આવ્યા, તેમના જમણા હાથમાં તેમને માટે અગ્નિરૂપ નિયમ હતો. પ્રભુ પોતાના લોક પર પ્રેમ રાખે છે અને જેઓ તેમને સમર્પિત છે તેમને સાચવે છે, તેઓ તેમને ચરણે બેસે છે, અને તેમનો સંદેશ સ્વીકારે છે. મોશેએ અમને એટલે, યાકોબના જનસમુદાયને, વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું. જ્યારે લોકોના આગેવાનો અને ઇઝરાયલના સર્વ કુળોના લોકો એકત્ર થયા ત્યારે પ્રભુ, યશુરૂન, એટલે તેમના એ લાડીલા લોકના રાજા બન્યા. મોશેએ રૂબેનના કુળ વિષે કહ્યું: “રૂબેનના લોક ભલે થોડા હોય, પણ તેનો વંશ ચાલુ રહે, અને ખતમ ન થાય.” તેણે યહૂદાના કૂળ વિષે કહ્યું: “હે પ્રભુ યહૂદાનો પોકાર સાંભળો, તેમને બીજાં કુળો સાથે જોડી દો: તે પોતાને માટે યુધ કરે, ત્યારે તેમના શત્રુઓ વિરુધ તેમને સહાય કરો.” તેણે લેવીના કુળ વિષે કહ્યું: “તમારાં તુમ્મીમ અને ઉરીમ તમારાં પસંદ કરાયેલ લેવી યજ્ઞકારને અપાયેલાં છે; તમે માસ્સામાં તેની પરીક્ષા કરી હતી, તમે મરીબામાં તેની સાથે વિવાદ કર્યો હતો. લેવીવંશે પોતાનાં માબાપને લક્ષમાં લીધાં નથી, તેમણે પોતાના ભાઈઓને ગણકાર્યા નથી, અને પોતાનાં સંતાનોની ઓળખાણ રાખી નથી. પરંતુ હે પ્રભુ, તેઓ તમારી આજ્ઞાઓને અનુસર્યા છે, અને તમારા કરારનું પાલન કર્યું છે. માટે તેઓ યાકોબના વંશજોને તમારી આજ્ઞાઓ, અને ઇઝરાયલીઓને તમારો નિયમ શીખવશે. તેઓ તમારી સમક્ષ ધૂપ, અને તમારી વેદી પર દહનબલિ ચડાવશે. હે પ્રભુ, તેમની સંપત્તિને આશિષ આપો અને તેમના સેવાકાર્યનો સ્વીકાર કરો. તમે તેમના શત્રુઓની કમર તોડી નાખો, કે તેઓ ફરી ઊઠવા ન પામે.” તેણે બિન્યામીનના કુળ વિષે કહ્યું: “એ તો પ્રભુનો લાડકવાયો છે, પ્રભુ તેને સલામત રાખે છે; તે તેનું રાતદિવસ રક્ષણ કરે છે અને એ તેમની ગોદમાં રહે છે.” તેણે યોસેફના કુળ વિષે કહ્યું: “તેમની ભૂમિને પ્રભુ આશીર્વાદિત કરો; આકાશની વર્ષાથી, ઝાકળથી, ભૂગર્ભ જળથી, સૂર્યતાપ દ્વારા ઉપજતી પેદાશથી, અને ચંદ્રની ભરતીઓટથી થતા લાભથી, પ્રાચીન પહાડોના ખનીજથી અને સનાતન પહાડોમાંથી મળતી કિંમતી વસ્તુઓથી, પૃથ્વી અને તેની સમૃધિની ઉત્તમ વસ્તુઓથી, અને વૃક્ષમાં દર્શન દેનાર પ્રભુની કૃપાદૃષ્ટિથી, પોતાના ભાઈઓમાં અગ્રેસર એવા યોસેફ પર પ્રભુનો આશીર્વાદ ઊતરો. તે તો પ્રથમજનિત પ્રતાપી આખલો છે; તેનાં શિંગડાં જંગલી સાંઢનાં શિંગડાં જેવા શક્તિશાળી છે; તે વડે તે લોકોને ધકેલી દેશે; તેમને પૃથ્વીની સીમાઓ સુધી હાંકી કાઢશે. એફ્રાઈમ કુળના દશ હજાર અને મનાશ્શા કુળના હજાર એવા બળવાન છે.” તેણે ઝબુલૂન તથા યિસ્સાખારના કુળ વિષે કહ્યું: “ઝબુલૂન દરિયાઈ વેપારની સફરોમાં આબાદ થાઓ અને ઇસ્સાખારના તંબૂઓ કુદરતી સંપત્તિથી સમૃધ થાઓ. તેઓ લોકોને તેમના પર્વત પર આમંત્રણ આપશે, અને ત્યાં યથાયોગ્ય બલિ ચડાવશે. તેઓ દરિયાઈ વેપારથી અને રણપ્રદેશમાંથીયે તેલ ચૂસીને સંપત્તિવાન થશે.” તેણે ગાદના કુળ વિષે કહ્યું: “ગાદની સીમાનો વિસ્તાર કરનાર પ્રભુની સ્તુતિ થાઓ. તે સિંહની જેમ ટાંપી રહે છે અને હાથને અરે, માથાના તાલકાને ફાડી નાખે છે. તેણે પ્રથમથી જ પોતાના વારસાનો ઉત્તમ હિસ્સો મેળવ્યો છે અને આગેવાન તરીકેનો ભાગ તેને ફાળવવામાં આવેલો હતો. જ્યારે ઇઝરાયલના આગેવાનો એકઠા થયા હતા, ત્યારે તેણે ઇઝરાયલીઓને લગતા પ્રભુના આદેશોનું પાલન કર્યું.” તેણે દાનના કુળ વિષે કહ્યું: “દાનનું કુળ બાશાન પ્રદેશમાંથી તરાપ મારતા સિંહના બચ્ચા જેવું છે.” તેણે નાફતાલીના કુળ વિષે કહ્યું: “હે નાફતાલી, તમારા પર પ્રભુની પુષ્કળ કૃપા અને તેમના ભરપૂર આશીર્વાદ છે. તમે પશ્ર્વિમ તથા દક્ષિણ તરફનો પ્રદેશ વારસા તરીકે પ્રાપ્ત કરો.” તેણે આશેરના કુળ વિષે કહ્યું: “બધાં કુળોમાં આશેર સૌથી આશીર્વાદિત છે. તે સર્વ ભાઇઓમાં પ્રિય થઈ પડો. તેના પ્રદેશમાં ઓલિવ તેલની પુષ્કળ પેદાશ થાઓ. તમારાં નગરો તાંબા અને લોખંડના સળિયાથી સુરક્ષિત રહો; અને જેવા તમારા દિવસો તેવી તમને શક્તિ મળશે.” હે યશુરૂન, ઇઝરાયલી લોકો, તમારા ઈશ્વર જેવા અન્ય કોઈ નથી; તે તમને મદદ કરવા વાદળાં પર સવાર થઈ આવે છે અને ગૌરવપૂર્વક આકાશમાં વિચરે છે. સાર્વકાલિક ઈશ્વર તમારું નિવાસસ્થાન છે અને તમારી નીચે તમને ધરી રાખનાર સનાતન ભૂજો છે. તમે જેમ જેમ આગેકૂચ કરી તેમ તેમ તેમણે તમારા શત્રુઓને નસાડયા, અને તમને તેમનો નાશ કરવાનું કહ્યું. તેથી ઇઝરાયલના વંશજો સહીસલામતીમાં રહે છે; જેની ભૂમિ પર આકાશનું ઝાકળ પડે છે એવા ધાન્ય અને દ્રાક્ષાસવની ભરપૂરીવાળા દેશમાં તેઓ વસે છે. હે ઇઝરાયલ, તમે આશીર્વાદિત છો! પ્રભુએ જેમનો ઉધાર કર્યો હોય એવી તમારા જેવી બીજી કઈ પ્રજા છે? પ્રભુએ ઢાલરૂપે તમારું રક્ષણ કર્યું અને તલવાર રૂપે તમને વિજય અપાવ્યો. તમારા શત્રુઓ તમારી દયાની યાચના કરશે અને તમે તેમની પીઠ ખૂંદી નાખશો.” પછી મોશે મોઆબની તળેટીમાંથી યરીખો નગરની પૂર્વે આવેલ નબો પર્વતના પિસ્ગા નામના શિખર પર ચડયો અને ત્યાંથી પ્રભુએ તેને સમગ્ર દેશ દેખાડયો: એટલે, ઉત્તરે છેક દાન સુધી ગિલ્યાદનો આખો પ્રદેશ, નાફતાલીનો આખો પ્રદેશ, એફ્રાઈમ તથા મનાશ્શાના પ્રદેશો, પશ્ર્વિમે છેક ભૂમધ્ય સમુદ્ર સુધી યહૂદાનો આખો પ્રદેશ, દક્ષિણનો નેગેબ વિસ્તાર, ખજૂરીઓના નગર યરીખોના ખીણપ્રદેશથી છેક સોઆર નગર સુધીના પ્રદેશ તેણે જોયા. પ્રભુએ મોશેને કહ્યું, “આ દેશ વિષે મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ આગળ શપથ લીધા હતા કે હું તે તેમના વંશજોને આપીશ. મેં તને તે દેશ નજરોનજર દેખાડયો છે પણ યર્દન પાર કરીને તું ત્યાં જવા પામશે નહિ.” તેથી પ્રભુના કહ્યા પ્રમાણે પ્રભુનો સેવક મોશે ત્યાં મોઆબ દેશમાં મૃત્યુ પામ્યો, અને મોઆબ દેશના બેથ-પયોર નગરની સામે આવેલા ખીણપ્રદેશમાં તેને દફનાવવામાં આવ્યો, પણ આજ સુધી તેની કબર વિષે કોઈ જાણતું નથી. મૃત્યુ સમયે મોશેની ઉંમર એક્સો વીસ વર્ષની હતી, છતાં તેની આંખ ઝાંખી પડી નહોતી કે તેની શક્તિ ઓસરી નહોતી. ઇઝરાયલી લોકોએ મોઆબના સપાટ પ્રદેશમાં ત્રીસ દિવસ સુધી મોશે માટે શોક પાળ્યો. પછી મોશે માટે શોકનો સમય પૂરો થયો. નૂનનો પુત્ર યહોશુઆ ઈશ્વરીય જ્ઞાનથી ભરપૂર હતો; કારણ, મોશેએ તેને શિરે હાથ મૂકી તેને પોતાના અનુગામી તરીકે નીમ્યો હતો. ઇઝરાયલી લોકો તેને આધીન થયા અને એમ પ્રભુએ મોશે દ્વારા તેમને આપેલી આજ્ઞાઓનું પાલન કર્યું. ઇઝરાયલમાં મોશે જેવો બીજો કોઈ સંદેશવાહક ઊભો થયો નથી; પ્રભુએ મોશેને પોતાનો પ્રત્યક્ષ પરિચય આપ્યો હતો. મોશેએ ઇજિપ્ત દેશમાં ફેરોની, અધિકારીઓની અને તેના સમગ્ર દેશની વિરુધ જે ચમત્કારો અને અજાયબ કાર્યો કર્યાં તેવાં કાર્યો બીજા કોઈ સંદેશવાહકે કર્યા નથી. તે જ પ્રમાણે મોશેએ સમગ્ર ઇઝરાયલની સમક્ષ જે મહાન અને પ્રતાપી કાર્યો કર્યા તેવાં કાર્યો પણ બીજા કોઈ સંદેશવાહકે કર્યાં નથી. પ્રભુના સેવક મોશેના મરણ બાદ પ્રભુએ મોશેના મદદનીશ નૂનના દીકરા યહોશુઆ સાથે વાત કરી. તેમણે કહ્યું, “મારો સેવક મોશે મૃત્યુ પામ્યો છે. માટે હવે તું તથા સર્વ ઇઝરાયલી લોકો સજ્જ થાઓ અને હું તમને જે દેશ આપવાનો છું તેમાં યર્દન નદી ઊતરીને જાઓ. મેં મોશેને કહ્યું હતું તેમ તું અને મારા સર્વ લોકો જ્યાં જ્યાં તમે ફરશો તે બધો પ્રદેશ હું તમને આપીશ. દક્ષિણમાં રણપ્રદેશથી શરૂ કરી ઉત્તરમાં લબાનોનના પર્વતો સુધી અને પૂર્વમાં મહાનદી યુફ્રેટિસથી શરૂ કરી હિત્તીઓના સમસ્ત દેશમાં થઈને પશ્ર્વિમમાં ભૂમધ્ય સમુદ્ર સુધી તમારી સરહદ થશે. યહોશુઆ, તને તારા જીવનભર કોઈ હરાવી શકશે નહિ. જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે રહીશ. હું સદા તારી સાથે રહીશ અને તને કદી તજી દઈશ નહિ. બળવાન તથા હિમ્મતવાન થા; કારણ, આ લોકોના પૂર્વજોની આગળ મેં ખાધેલા સોગંદ પ્રમાણે આ દેશનો કબજો સંપાદન કરવામાં તારે તેમના આગેવાન બનવાનું છે. માત્ર એટલું જ કે તું બળવાન તથા હિમ્મતવાન થા; અને મારા સેવક મોશેએ તમને આપેલો નિયમ પૂરેપૂરો પાળવાની તું કાળજી રાખ. તારે એમાંથી લેશમાત્ર ચલિત થવાનું નથી; એમ કરીશ તો તું જ્યાં કહીં જશે ત્યાં સફળ થશે. એ નિયમશાસ્ત્ર તારા મુખમાંથી જવું જોઈએ નહિ. તું દિવસરાત તેનું અયયન કર અને તેમાં લખેલું બધું કાળજીપૂર્વક પાળ એટલે તું સમૃદ્ધ અને સફળ થશે. યાદ રાખ, મેં તને બળવાન તથા હિમ્મતવાન થવાની આજ્ઞા આપી છે; ગભરાઈશ નહિ કે હતાશ થઈશ નહિ. કારણ, જ્યાં કહીં તું જાય ત્યાં હું પ્રભુ તારો ઈશ્વર તારી સાથે છું.” પછી યહોશુઆએ લોકોના આગેવાનોને આવી સૂચના આપી: છાવણીમાં બધે ફરીને લોકોને કહો કે થોડો ખોરાક તૈયાર કરી લો, કારણ, પ્રભુ તમારા ઈશ્વર તમને જે દેશ વતન તરીકે આપે છે તેને પ્રાપ્ત કરવા માટે તમારે ત્રણ દિવસમાં યર્દન નદી ઓળંગવાની છે. યહોશુઆએ રૂબેન અને ગાદનાં કુળોને અને મનાશ્શાના અર્ધકુળને કહ્યું, પ્રભુના સેવક મોશેએ તમને આપેલી આ આજ્ઞા યાદ કરો કે, ‘તમારા ઈશ્વર પ્રભુએ તમને વસવાટ માટે આ પ્રદેશ આપ્યો છે.’ તેથી તમારી પત્નીઓ, તમારાં બાળકો અને તમારાં ઢોરઢાંક મોશેએ તમને યર્દન નદીની પૂર્વ બાજુએ આપેલા પ્રદેશમાં રહે, પણ તમારામાંના સર્વ લડવૈયા પુરુષોએ તો શસ્ત્રસજ્જ થઈને તમારા ઇઝરાયલી બધુંઓને યુદ્ધમાં મદદ કરવા નદી ઓળંગી આગળ જવાનું છે. તમારા ઇઝરાયલી બધુંઓ પણ તમારા ઈશ્વર પ્રભુએ તેમને યર્દનની પશ્ર્વિમમાં આપેલો પ્રદેશ કબજે કરી લે, અને તમારી જેમ તેમને પણ સહીસલામત વસવાટ પ્રાપ્ત થઈ જાય, ત્યાર પછી તમે પાછા આવીને પ્રભુના સેવક મોશેએ તમને યર્દનની પૂર્વમાં આપેલા આ પ્રદેશમાં વસવાટ કરજો.” તેમણે યહોશુઆને કહ્યું, “તેં અમને કહ્યું તે પ્રમાણે અમે બધું કરીશું અને તું જ્યાં કહીં અમને મોકલે ત્યાં અમે જઈશું. અમે જેમ મોશેને આધીન હતા તેમ તને પણ હમેશાં આધીન રહીશું. તારા ઈશ્વર પ્રભુ જેમ મોશે સાથે હતા તેમ તે તારી સાથે પણ રહો! જો કોઈ તારા આદેશ વિરુધ બંડ કરે અને તારા હુકમોની અવગણના કરે, પછી તે ગમે તે હોય, તો પણ તે માર્યો જાય. માત્ર એટલું જ કે તું બળવાન તથા હિમ્મતવાન થા.” પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી છૂપી રીતે બે જાસૂસો મોકલ્યા અને તેમને કહ્યું, “જાઓ, જઈને કનાન દેશની અને વિશેષે કરીને યરીખો નગરની બાતમી મેળવી લાવો.” તેઓ ત્યાં ગયા અને રાહાબ નામે એક વેશ્યાને ઘેર ઊતર્યા. યરીખોના રાજાને ખબર પડી કે તે સાંજે કેટલાક ઇઝરાયલી દેશની બાતમી કાઢવા આવ્યા છે. તેથી તેણે રાહાબને સંદેશો મોકલ્યો કે, “તારા ઘરમાં ઊતરેલા માણસો તો આખા દેશની જાસૂસી કરવા આવ્યા છે! તેમને બહાર કાઢ!” પણ તે સ્ત્રીએ બે માણસોને સંતાડી દીધા હતા. તેથી તેણે જવાબ આપ્યો, “કેટલાક માણસો મારે ત્યાં આવ્યા હતા ખરા, પણ તે ક્યાંથી આવ્યા હતા તેની મને ખબર નથી. નગરનો દરવાજો બંધ થઈ જાય તે પહેલાં સૂર્યાસ્તના સમયે તે જતા રહ્યા. તે ક્યાં ગયા તે હું જાણતી નથી, પણ જો તમે જલદીથી પીછો કરો, તો તમે તેમને પકડી પાડશો.” હવે રાહાબે તો બે જાસૂસોને ધાબા પર લઈ જઈને ત્યાં રાખેલા અળસીના સાંઠાના ભારાઓ પાછળ સંતાડી દીધા હતા. રાજાના માણસો નગર બહાર નીકળ્યા કે નગરનો દરવાજો બંધ કરી દેવાયો. યર્દન તરફ જવાને રસ્તે તેમણે જાસૂસોનો પીછો કર્યો, અને શોધતા શોધતા છેક નદી ઓળંગવાના ઘાટ સુધી ગયા. પેલા જાસૂસો રાત્રે સૂઈ જાય તે પહેલાં રાહાબ તેમની પાસે ધાબા પર ગઈ. તેણે તેમને કહ્યું, “હું જાણું છું કે પ્રભુએ તમને આ દેશ આપ્યો છે. અમને તમારો ડર લાગે છે અને તમારા આગમનથી દેશના સર્વ રહેવાસીઓ ભયભીત થઈ ગયા છે. અમે સાંભળ્યું છે કે તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે પ્રભુએ તમારી આગળ સૂફ સમુદ્રને સૂકવી નાખ્યો હતો. વળી, યર્દનની પૂર્વ તરફના પ્રદેશના સિહોન અને ઓગ નામે અમોરીઓના બે રાજાઓના તેમણે કેવા હાલહવાલ કર્યા તે પણ અમે સાંભળ્યું છે. એ સાંભળતાં જ અમારાં હૃદય ભયભીત થઈ ગયાં અને તમારે લીધે અમારામાંથી કોઈનામાં કંઈ હિમંત રહી નથી. તમારા ઈશ્વર પ્રભુ તો ઉપર આકાશમાં અને નીચે પૃથ્વી પર ઈશ્વર છે. તો હવે મારી આગળ પ્રભુના સમ ખાઓ કે મેં તમારા પ્રત્યે જેવો વર્તાવ દાખવ્યો છે તેવો માયાળુ વર્તાવ તમે મારા પિતાના કુટુંબ પર દાખવશો; અને મને ભરોસો પડે એવી કોઈ ચોક્કસ નિશાની આપો. મને વચન આપો કે તમે મારા પિતાને, મારી માને, મારા ભાઈઓને, મારી બહેનોને અને તેમનાં સર્વ કુટુંબકબીલાનો જીવ બચાવશો અને અમને મારી નાખશો નહિ.” પેલા માણસોએ કહ્યું, “અમે તારા કહ્યા પ્રમાણે ન વર્તીએ તો ઈશ્વર અમને મારી નાખો: જો તમે અમારી આ વાત કોઈને કહી નહિ દો તો પ્રભુ અમને જ્યારે આ દેશ આપે, ત્યારે અમે તમારા પ્રત્યે માયાળુપણે અને નિષ્ઠાપૂર્વક વર્તીશું.” હવે રાહાબનું ઘર તો નગરકોટ પર તેને અડીને અંદરની તરફ બાંધેલું હતું. તેથી તેણે તેમને બારીમાંથી દોરડા વડે ઉતાર્યા. તેણે તેમને કહ્યું, “તમે પહાડીપ્રદેશમાં નાસી જાઓ, નહિ તો રાજાના માણસો તમને પકડી પાડશે. તેઓ પીછો કરવામાંથી પાછા ફરે ત્યાં સુધી તમે ત્રણ દિવસ સંતાઈ રહેજો અને પછી તમે તમારે રસ્તે પડજો.” પેલા માણસોએ તેને કહ્યું, “તેં અમને જે સમ ખવડાવ્યા છે તે પૂરા કરવા અમે આ રીતે વર્તીશું. તારે આ પ્રમાણે કરવાનું રહેશે: તમારા દેશ પર અમે આક્રમણ કરીએ ત્યારે તેં અમને જે બારીમાંથી ઉતાર્યા છે તેમાં આ ઘેરા લાલ રંગનું દોરડું બાંધજે; અને તારા પિતાને, તારી માને, તારા ભાઇઓને અને તારા પિતાના સમસ્ત કુટુંબને તારા આ ઘરમાં એકઠાં કરી રાખજે. જો કોઈ તારા ઘરમાંથી બહાર શેરીમાં જાય, તો તેના ખૂનનો દોષ તેને શિર રહેશે; એમાં અમારો દોષ ગણાશે નહિ; પણ તારી સાથેનાં ઘરમાંનાં કોઈને કંઈ ઇજા પહોંચે તો તેના ખૂનનો દોષ અમારે શિર રહે. પણ જો તું અમારી આ વાત કોઈને પણ કહે તો તેં અમને ખવડાવેલા સમથી અમે મુક્ત ગણાઈશું.” તેણે જવાબ આપ્યો, “ભલે, તમારા કહ્યા પ્રમાણે થાઓ.” એમ તેણે તેમને વિદાય કર્યા. તેમના ગયા પછી તેણે પેલું ઘેરા લાલ રંગનું દોરડું બારીએ બાંધી દીધું. જાસૂસો પર્વતમાં જઈને સંતાઈ ગયા. રાજાના માણસો ત્રણ દિવસ સુધી આખો પ્રદેશ ખૂંદી વળ્યા પણ તેઓ તેમને મળ્યા નહિ તેથી તેઓ યરીખો પાછા ફર્યા. પછી પેલા બે જાસૂસો પર્વત પરથી ઊતરી આવ્યા અને નદી પાર કરીને નૂનના પુત્ર યહોશુઆ પાસે પાછા આવ્યા. તેમના પર જે જે વીત્યું તે બધું તેમણે તેને કહી સંભળાવ્યું. તેમણે યહોશુઆને કહ્યું, “પ્રભુએ જરૂર આ દેશ આપણને સોંપ્યો છે; અને આપણા આગમનથી દેશના સર્વ રહેવાસીઓમાં ભય વ્યાપી ગયો છે.” બીજે દિવસે સવારે યહોશુઆ અને સર્વ ઇઝરાયલી લોકો વહેલા ઊઠયા અને શિટ્ટિમમાંથી છાવણી ઉપાડીને યર્દન આગળ આવ્યા. તેમણે નદી પાર કરી તે પહેલાં તેમણે ત્યાં છાવણી નાખી. ત્રણ દિવસ પછી આગેવાનોએ છાવણીમાં ફરી વળીને લોકોને કહ્યું, “જ્યારે તમે લેવીવંશી યજ્ઞકારોને તમારા ઈશ્વર પ્રભુની કરારપેટી ઊંચકીને જતા જુઓ ત્યારે તમારી છાવણી ઉપાડી લઈને તેમની પાછળ જજો. પ્રભુની કરારપેટી તમને જવાનો રસ્તો બતાવશે, કારણ, આ રસ્તે તમે અગાઉ કદી ગયા નથી. પણ તમે કરારપેટીની નજીક જશો નહિ; તેનાથી લગભગ એક કિલોમીટર દૂર રહેજો.” યહોશુઆએ લોકોને કહ્યું, “પોતાને શુદ્ધ કરો; કારણ, આવતી કાલે પ્રભુ તમારી વચ્ચે અદ્‍ભુત કાર્યો કરશે.” પછી તેણે યજ્ઞકારોને કરારપેટી ઊંચકીને લોકોની આગળ જવા કહ્યું, એટલે તેમણે તેમ કર્યું. પ્રભુએ યહોશુઆને કહ્યું, “આજે હું જે કાર્ય કરવાનો છું તેનાથી સર્વ ઇઝરાયલીઓ મહાન માણસ તરીકે તારું સન્માન રાખતા થશે, અને તેમને ખબર પડશે કે જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે પણ છું. કરારપેટી ઊંચકનારા યજ્ઞકારોને કહે કે તેઓ નદી કિનારે પહોંચ્યા પછી તેમાં ઊતરીને કિનારાની નજીક ઊભા રહે.” પછી યહોશુઆએ લોકોને કહ્યું, “અહીં આવો, અને તમારા ઈશ્વર પ્રભુનો સંદેશો સાંભળો. તમારી વચમાં જીવંત ઈશ્વર છે, અને તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તે કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝ્ઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ અને યબૂસીઓને જરૂર હાંકી કાઢશે. એની ખાતરી તમને આ ઉપરથી થશે: સમસ્ત પૃથ્વીના પ્રભુની કરારપેટી તમારી આગળ યર્દન પાર ઊતરે છે. હવે ઇઝરાયલના પ્રત્યેક કુળમાંથી એક એમ બાર માણસો પસંદ કરો. સમસ્ત પૃથ્વીના પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો પાણીમાં પગ મૂકશે કે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને ઉપરવાસમાંથી આવતું પાણી એક જગ્યાએ ભરાઈ જશે.” હવે એ તો કાપણીનો સમય હતો કે જ્યારે યર્દનમાં ભારે પૂર આવ્યું હતું. લોકો પોતાની છાવણી ઉપાડીને યર્દન પાર ઊતરવા નીકળી આવ્યા એટલે યજ્ઞકારો કરારપેટી ઊંચકીને તેમની આગળ ગયા. યજ્ઞકારો નદીએ પહોંચ્યા અને જેવા તેમણે પાણીમાં પોતાના પગ મૂક્યા કે, *** નદીનું વહેણ કપાઈ ગયું અને સારેથાન નજીક આવેલા આદામ નગર પાસે ઉપરવાસમાંથી પાણી વહેતું અટકી જઈને ભરાઈ ગયું અને મૃત સરોવર તરફ નીચાણ તરફનો પ્રવાહ વહી ગયો. લોકો યર્દન ઓળંગીને યરીખોની નજીક ઊતર્યા. લોકો કોરી ભૂમિ પર થઈને જતા હતા ત્યારે સર્વ લોકો નદી ઓળંગી રહ્યા ત્યાં સુધી પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો યર્દનની વચમાં કોરી જમીન પર ઊભા રહ્યા. આખી પ્રજા યર્દન પાર ઊતરી ગઈ એટલે પ્રભુએ યહોશુઆને કહ્યું, “પ્રત્યેક કુળમાંથી એક એમ બાર માણસો પસંદ કર, અને યર્દનની વચમાં જ્યાં યજ્ઞકારો ઊભા રહ્યા હતા ત્યાંથી તેમને બાર પથ્થર લેવા આજ્ઞા કર. તમે આજે રાત્રે જ્યાં છાવણી નાખો ત્યાં તેમને એ પથ્થરો ઊભા કરવા જણાવ.” પછી યહોશુઆએ પ્રત્યેક કુળમાંથી એક લેખે ઇઝરાયલીઓમાંથી પસંદ કરેલા બાર માણસોને બોલાવ્યા, અને તેમને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુની કરારપેટી પાસે યર્દનમાં જાઓ. ઇઝરાયલનાં બાર કુળના પ્રત્યેક કુળ માટે એક પથ્થર એમ તમે પ્રત્યેક તમારા ખભા પર એકએક પથ્થર ઊંચકી લાવો. એ પથ્થરો પ્રભુના આ અદ્‍ભુત કાર્યની લોકોને યાદ આપશે. ભવિષ્યમાં તમારાં છોકરાં તમને પૂછે કે આ પથ્થરોનો શો અર્થ છે, ત્યારે તમે તેમને કહેજો કે પ્રભુની કરારપેટીએ યર્દન નદી પાર કરી ત્યારે નદીનું વહેણ કપાઈ ગયું. આમ, એ પથ્થરો અહીં બનેલા આ બનાવની ઇઝરાયલી લોકોને સદા યાદ આપશે.” ઇઝરાયલીઓના એ માણસોએ યહોશુઆના કહ્યા પ્રમાણે કર્યું. પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે પ્રત્યેક કુળ માટે એક એમ બાર પથ્થરો યર્દનની વચમાંથી ઉપાડી લીધા અને તેમને છાવણીમાં લઈ જઈને ઊભા કર્યા. યજ્ઞકારો કરારપેટી ઊંચકીને જ્યાં યર્દનની વચમાં ઊભા રહ્યા હતા ત્યાં પણ યહોશુઆએ બાર પથ્થર ઊભા કર્યા. આજે પણ એ પથ્થરો ત્યાં છે. પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે લોકોએ જે જે કરવાનું હતું તે બધું પાર પડયું ત્યાં સુધી યજ્ઞકારો યર્દનની વચમાં ઊભા રહ્યા. અગાઉ પણ મોશેએ યહોશુઆને એ જ આજ્ઞા આપી હતી. લોકોએ ઉતાવળે ઉતાવળે નદી પાર કરી. તેઓ બધા સામે કિનારે પહોંચી ગયા એટલે પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો લોકોની સમક્ષ નદી પાર ઊતર્યા. મોશેના ફરમાન પ્રમાણે રૂબેન અને ગાદનાં કુળો અને મનાશ્શાના અર્ધા કુળના લડવૈયા પુરુષો પણ શસ્ત્રસજ્જ થઈને બાકીના સર્વ ઇઝરાયલીઓ આગળ નદી પાર ઉતર્યા. પ્રભુની સમક્ષ લગભગ ચાલીસ હજાર શસ્ત્રસજ્જ લડવૈયા પુરુષો નદી પાર કરીને યરીખો પાસેના મેદાનમાં પહોંચી ગયા. પ્રભુએ કરેલા એ દિવસના અદ્‍ભુત કાર્યથી ઇઝરાયલી લોકો યહોશુઆને મહાપુરુષ તરીકે સન્માનવા લાગ્યા. તેમણે જેમ મોશેનું સન્માન જાળવ્યું હતું તેમ યહોશુઆનું પણ તેની જિંદગીભર સન્માન જાળવ્યું. પ્રભુએ યહોશુઆને કહ્યું, “સાક્ષ્યલેખની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારોને યર્દનમાંથી બહાર નીકળી આવવા આજ્ઞા કર.” તેથી યહોશુઆએ યજ્ઞકારોને આજ્ઞા આપી, “યર્દનમાંથી બહાર નીકળી આવો.” એટલે પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો યર્દનની બહાર નીકળી આવ્યા, અને યજ્ઞકારોએ નદીકાંઠે સૂકી ભૂમિ પર પગ મૂક્યા કે યર્દન નદી અગાઉની જેમ પોતાના જળમાર્ગે વહેવા લાગી અને પૂરથી તેના કાંઠા ઊભરાઈ ગયા. લોકો પહેલા માસને દશમે દિવસે યર્દનમાંથી બહાર નીકળી આવ્યા અને યરીખોની પૂર્વ તરફની સરહદ પર તેમણે ગિલ્ગાલમાં છાવણી કરી. યર્દનમાંથી લાવવામાં આવેલ બાર પથ્થરો યહોશુઆએ ગિલ્ગાલમાં ઊભા કર્યા. તેણે ઇઝરાયલી લોકોને કહ્યું, “ભવિષ્યમાં તમારા વંશજો પોતાના પિતાને પૂછે કે આ પથ્થરોનો શો અર્થ છે? ત્યારે તમારા વંશજોને આવો ખુલાસો કરવો: ઇઝરાયલીઓ યર્દનમાંથી સૂકી ભૂમિમાં થઈને પાર આવ્યા. અમે સૂફ સમુદ્ર પાર ઊતરી રહ્યા ત્યાં સુધી અમારા ઈશ્વર પ્રભુએ તેને અમારે માટે સૂકવી નાખ્યો હતો; એ જ રીતે તમે પણ યર્દનની પાર ઊતરી રહ્યા ત્યાં સુધી તેમણે તમારી આગળ તેનાં પાણી સૂકવી નાખ્યાં; આને લીધે પૃથ્વીના સર્વ લોકો જાણશે કે પ્રભુના હાથનું સામર્થ્ય કેવું મહાન છે, અને તમે પણ તમારા ઈશ્વર પ્રભુનું આદરમાન કરો.” હવે યર્દનની પશ્ર્વિમ તરફના પ્રદેશના અમોરીઓના રાજાઓ તેમજ ભૂમધ્ય સમુદ્રની પાસેના પ્રદેશના સર્વ કનાની રાજાઓના સાંભળવામાં આવ્યું કે ઇઝરાયલી લોકો યર્દન પાર ઊતરી રહ્યા ત્યાં સુધી પ્રભુએ તેમની આગળ તે નદીનું પાણી સૂકવી નાખ્યું. તેથી ઇઝરાયલી લોકોને લીધે તેમનાં હૃદય ભયભીત થઈ ગયાં અને તેમના હોશકોશ ઊડી ગયા. પછી પ્રભુએ યહોશુઆને કહ્યું, “ચકમકની છરીઓ બનાવ અને બીજી વાર ઇઝરાયલી પુરુષોની સુન્‍નત કર.” તેથી યહોશુઆએ ચકમકના પથ્થરોની છરીઓ બનાવીને ‘ગિબ્યાથ હારાલોથ’ એટલે ‘સુન્‍નત-ટેકરી’ પર ઇઝરાયલી પુરુષોની સુન્‍નત કરી. હવે યહોશુઆએ તેમની સુન્‍નત કરી તેનું કારણ આવું હતું: લડાઈમાં જવાની ઉંમરના જે સર્વ પુરુષો ઇજિપ્તમાંથી નીકળ્યા હતા તેઓ સૌ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી મુસાફરી દરમ્યાન રણપ્રદેશમાં મરી પરવાર્યા હતા. ઇજિપ્તમાંથી નીકળેલા એ બધા પુરુષોની તો સુન્‍નત થયેલી હતી, પણ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી રણપ્રદેશમાં જન્મેલા છોકરાઓની સુન્‍નત થઈ નહોતી. કારણ, આખી પ્રજા, એટલે ઇજિપ્તમાંથી નીકળી આવેલા સર્વ લડવૈયા પુરુષો મરી ગયા ત્યાં સુધી ઇઝરાયલી લોકો ચાલીસ વરસ સુધી રણપ્રદેશમાં ફરતા રહ્યા; કારણ, એ લોકોએ પ્રભુનું કહેવું માન્યું નહિ. તેથી પ્રભુએ તેમના પૂર્વજો આગળ દૂધમધની રેલમછેલવાળો જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી તે દેશ તેમને નહિ જોવા દેવા પ્રભુએ સમ ખાધા હતા. એ માણસોના પુત્રોની તો સુન્‍નત થઈ નહોતી અને એ નવી પેઢીની યહોશુઆએ સુન્‍નત કરી. મુસાફરી દરમ્યાન તેમની સુન્‍નત થઈ ન હોવાથી તેઓ સુન્‍નતરહિત હતા. સર્વ પુરુષોની સુન્‍નત પૂરી થયા પછી તેમને ઘા રુઝાયો ત્યાં સુધી તેઓ છાવણીમાં પોતપોતાની જગ્યાએ રહ્યા. પ્રભુએ યહોશુઆને કહ્યું, “આજે મેં તમારી ઇજિપ્તની ગુલામીનું કલંક દૂર કર્યું છે.” આથી તે જગ્યાનું નામ ગિલ્ગાલ ચગબડવુૃં પાડવામાં આવ્યું; આજે પણ તે એ જ નામે ઓળખાય છે. યરીખો પાસેના મેદાનમાં ગિલ્ગાલ ખાતે ઇઝરાયલીઓ છાવણી નાખી પડયા હતા ત્યારે તે માસને ચૌદમે દિવસે તેમણે પાસ્ખાપર્વ પાળ્યું. પર્વને બીજે દિવસે તેમણે કનાન દેશની પેદાશમાંથી ખમીરરહિત રોટલી તથા શેકેલું અનાજ ખાધું. દેશની પેદાશમાંથી ખાધા પછી બીજે દિવસે માન્‍ના પડતું બંધ થયું; ત્યાર પછી ઇઝરાયલીઓને માન્‍ના મળ્યું નહિ; અને એ વર્ષથી માંડીને ઇઝરાયલીઓએ દેશની પેદાશમાંથી ખાધું. યહોશુઆ યરીખો પાસે ઊભો હતો ત્યારે તેણે સામે નજર કરી તો પોતાની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં ઉઘાડી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછયું, “તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો?” તેણે જવાબ આપ્યો, “હું કોઈના પક્ષનો નથી. હું તો અહીં પ્રભુના સૈન્યના સેનાપતિ તરીકે આવેલો છું.” યહોશુઆએ ભૂમિ સુધી પોતાનું મુખ નમાવીને ભજન કરતાં કહ્યું, “મારા માલિક, હું તો તમારો દાસ છું. આપની શી આજ્ઞા છે?” પ્રભુના સૈન્યના સેનાપતિએ યહોશુઆને કહ્યું, “તારાં પગરખાં ઉતારી નાખ; કારણ, તું જ્યાં ઊભો છે તે જગ્યા પવિત્ર છે.” અને યહોશુઆએ તેમ કર્યું. ઇઝરાયલીઓને શહેરમાં ધૂસી જતા અટકાવવા માટે યરીખોના દરવાજા બરાબર બંધ કરીને તેમને સુરક્ષિત કરી દેવામાં આવ્યા. તેથી ન તો કોઈ શહેરની બહાર જઈ શકતું કે ન તો કોઈ અંદર પ્રવેશી શકતું. પ્રભુએ યહોશુઆને કહ્યું, “હું યરીખોને, તેના રાજાને અને તેના સર્વ શૂરવીર સૈનિકોને તારા હાથમાં સોંપી દઉં છું. તારે અને તારા સર્વ સૈનિકોએ છ દિવસ સુધી દરરોજ કૂચ કરતાં કરતાં શહેરની એકવાર પ્રદક્ષિણા કરવી. સાત યજ્ઞકારો પોતાની સાથે રણશિંગડાં લઈને કરારપેટીની આગળ ચાલે. સાતમે દિવસે યજ્ઞકારો રણશિંગડાં વગાડતા હોય ત્યારે તારે અને તારા સૈનિકોએ કૂચ કરતાં કરતાં શહેરની સાતવાર પ્રદક્ષિણા કરવી. પછી યજ્ઞકારો લાંબે સાદે રણશિંગડાં વગાડે એટલે તે સાંભળતાંની સાથે જ સર્વ લોકોએ યુદ્ધનો મોટો પોકાર પાડવો, એટલે શહેરનો કોટ તૂટી પડશે. પછી સૈન્યના બધા માણસોએ પોતે જ્યાં હોય ત્યાંથી સીધેસીધા શહેરમાં ધૂસી જવું.” નૂનના પુત્ર યહોશુઆએ યજ્ઞકારોને બોલાવીને કહ્યું, “પ્રભુની કરારપેટી ઉપાડો, અને તમારામાંથી સાત જણ હાથમાં રણશિંગડાં લઈ તેની આગળ જાઓ.” તેણે લોકોને કહ્યું, “હવે કૂચ શરૂ કરો અને શહેરની પ્રદક્ષિણા કરો. શસ્ત્રસજ્જિત રક્ષકદળ પ્રભુની કરારપેટીની આગળ ચાલે.” આમ, યહોશુઆએ આપેલા હુકમ પ્રમાણે શસ્ત્રસજ્જિત અગ્ર રક્ષકદળ ઘેટાંનાં શિંગનાં રણશિંગડાં વગાડનાર યજ્ઞકારોની આગળ ચાલ્યું. એમની પાછળ કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો ગયા. એમની પાછળ અનુગામી રક્ષકદળ હતું. એ બધો સમય રણશિંગડાં વાગતાં હતાં. *** પણ યહોશુઆએ લોકોને આજ્ઞા આપી હતી: “હું હુકમ ન આપું ત્યાં સુધી તમારે યુદ્ધનો પોકાર પાડવાનો નથી કે કંઈ અવાજ કરવાનો નથી; અરે, એક શબ્દ પણ ઉચ્ચારવાનો નથી. હું કહું ત્યારે જ તમારે યુદ્ધનો પોકાર પાડવાનો છે.” આમ, તેણે પ્રભુની કરારપેટીને શહેરની ચારે બાજુ એકવાર ફેરવી. પછી તેમણે છાવણીમાં પાછા આવીને ત્યાં રાત ગાળી. યહોશુઆ બીજે દિવસે વહેલો ઊઠયો, અને યજ્ઞકારોએ પ્રભુની કરારપેટી ઊંચકી લીધી. તેમણે આગલા દિવસની જેમજ કૂચ કરી: સૌ પ્રથમ અગ્ર રક્ષકદળ, પછી સાત રણશિંગડાં વગાડનાર સાત યજ્ઞકારો, તે પછી પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો અને છેલ્લે, અનુગામી રક્ષકદળ. એ બધો સમય રણશિંગડાં વાગ્યા કરતાં હતાં. આ બીજે દિવસે પણ તેમણે શહેરની ચારેબાજુ ફરીવાર કૂચ કરી અને પછી છાવણીમાં પાછા ફર્યા. તેમણે છ દિવસ એમ કર્યું. સાતમે દિવસે તેમણે સવારે ઊઠીને એ જ પ્રમાણે શહેરની ચારેબાજુ સાતવાર કૂચ કરી. માત્ર આ જ દિવસે તેમણે કૂચ કરતાં કરતાં શહેરની સાતવાર પ્રદક્ષિણા કરી. સાતમીવાર કૂચ કરતી વખતે યજ્ઞકારો રણશિંગડાં વગાડવાના હતા ત્યારે યહોશુઆએ લોકોને હુકમ આપતાં કહ્યું, “યુદ્ધનો પોકાર પાડો, કારણ, પ્રભુએ આ શહેર તમારા હાથમાં સોંપ્યું છે! પ્રભુને સમર્પણ તરીકે શહેરનો અને તેની અંદરના સર્વસ્વનો નાશ કરવાનો છે. માત્ર રાહાબ વેશ્યાએ આપણા જાસૂસોને સંતાડયા હતા તેથી તેને તથા તેના કુટુંબને બચાવી લેવાનાં છે. પણ નાશનિર્મિત વસ્તુઓમાંથી તમારે કંઈ લેવાનું નથી; નહિ તો ઇઝરાયલની છાવણી પર સંકટ અને વિનાશ લાવશો. રૂપું, સોનું, તાંબુ કે લોખંડની બનેલી સર્વ વસ્તુઓ પ્રભુને માટે અલગ કરેલી છે અને તે પ્રભુના ભંડારમાં મૂકવાની છે.” તેથી યજ્ઞકારોએ રણશિંગડાં વગાડયાં અને એ સાંભળતાંની સાથે જ લોકોએ યુદ્ધનો મોટો પોકાર પાડયો એટલે શહેરનો કોટ તૂટી પડયો. પછી ભારે ધસારા સાથે આખું સૈન્ય શહેરમાં સીધેસીધું ધૂસી ગયું અને તેને જીતી લીધું. તેમણે શહેરનાં સ્ત્રીપુરુષો, આબાલવૃદ્ધ સૌનો તલવારની ધારે નાશ કર્યો અને ઢોર, ઘેટાં અને ગધેડાં પણ કાપી નાખ્યાં. જે બે માણસોએ દેશની જાસૂસી કરી હતી તેમને યહોશુઆએ કહ્યું, “તમે પેલી વેશ્યાને આપેલા વચન પ્રમાણે તેના ઘેર જઈને તેને અને તેના આખા કુટુંબને ત્યાંથી બહાર કાઢી લાવો.” તેથી તે જુવાન જાસૂસો ત્યાં જઈને રાહાબને, તેના પિતાને, તેની માને, તેના ભાઈઓને અને કુટુંબના બાકીનાં બધાંને બહાર લઈ આવ્યા. પછી તેમણે તેમને ઇઝરાયલી છાવણીમાં લઈ જઈને રાખ્યાં. પછી તેમણે શહેરને આગ લગાડીને તેના સર્વસ્વને બાળીને ભસ્મ કરી દીધું. માત્ર રૂપું અને સોનું તથા તાંબાનાં અને લોખંડનાં પાત્રો લાવીને પ્રભુના ઘરના ભંડારમાં મૂક્યાં. પણ યહોશુઆએ રાહાબ વેશ્યા અને તેનાં સર્વ કુટુંબીજનોને મારી નાખ્યાં નહિ; કારણ, યહોશુઆએ મોકલેલા બે જાસૂસોને તેણે સંતાડયા હતા. (રાહાબના વંશજો આજ સુધી ઇઝરાયલમાં વસતા આવ્યા છે.) આ સમયે યહોશુઆએ પ્રભુની સમક્ષ લોકો પાસે આવી શાપવાણી ઉચ્ચારાવી: “જે કોઈ યરીખો નગર ફરીથી બાંધવાનો પ્રયાસ કરે, તેના પર પ્રભુ સમક્ષ શાપ ઊતરો. જે કોઈ તેનો પાયો નાખે, તે તેનો સૌથી મોટો પુત્ર ગુમાવે; જે કોઈ તેના દરવાજા બાંધે, તે તેનો સૌથી નાનો પુત્ર ગુમાવે.” આમ, પ્રભુ યહોશુઆની સાથે હતા, અને આખા દેશમાં તેની કીર્તિ ફેલાઈ ગઈ. પણ મના કરેલી અર્પિત વસ્તુઓ નહિ લેવાની બાબતમાં ઇઝરાયલીઓ વિશ્વાસુ નીવડયા નહિ. યહૂદાના કુળમાંથી ઝેરાના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને મના કરેલી અર્પિત વસ્તુઓમાંથી કંઈક લઈ લીધું, અને ઇઝરાયલીઓ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો. હવે યહોશુઆએ કેટલાક માણસોને યરીખોથી બેથેલની પૂર્વ તરફ બેથ-આવેન નજીક આવેલ આય નગરમાં આમ કહીને મોકલ્યા, “જાઓ, જઈને એ પ્રદેશની બાતમી કાઢી લાવો.” તે માણસો આય જઈને બાતમી કાઢી લાવ્યા. તેમણે પાછા આવીને યહોશુઆને જણાવ્યું, “આય પર આક્રમણ કરવા બધા લોકોએ જવાની જરૂર નથી. માત્ર બે-ત્રણ હજાર પુરુષો જાય અને આયને જીતી લે. ત્યાં આખા સૈન્યને જવાની તકલીફ આપશો નહિ; ત્યાં ખાસ ઝાઝી વસતી નથી.” તેથી આય પર હુમલો કરવા આશરે ત્રણેક હજાર પુરુષો ગયા; પરંતુ આયના માણસો આગળ તેમણે પીછેહઠ કરવી પડી. આયના માણસોએ નગરના દરવાજાથી છેક પથ્થરની ખાણો સુધી તેમનો પીછો કર્યો અને પર્વતના ઢોળાવના રસ્તે છત્રીસ માણસોનો સંહાર કર્યો. તેથી ઇઝરાયલીઓ હતાશ અને ભયભીત થઈ ગયા. પછી યહોશુઆએ પોતાનાં વસ્ત્ર ફાડયાં અને સંયાના સમય સુધી પ્રભુની કરારપેટી આગળ ભૂમિ પર ઊંધો પડયો રહ્યો; ઇઝરાયલના આગેવાનોએ પણ તેમ જ કર્યું, અને પોતાના શોક પ્રદર્શિત કરવા પોતાના માથા પર ધૂળ નાખી. યહોશુઆએ કહ્યું, “અરેરે પ્રભુ પરમેશ્વર, તમે અમને યર્દનની આ તરફ લાવ્યા જ કેમ? અમને અમોરીઓના હાથમાં સોંપી દેવા? અમારો નાશ કરવા? એના કરતાં અમે યર્દનની પેલી પાર સંતુષ્ઠ થઈ રહ્યા હોત તો કેવું સારું થાત! હે પ્રભુ, ઇઝરાયલીઓએ પોતાના શત્રુઓની આગળ પીછેહઠ કરી છે; અને તેથી હું શું બોલું? કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ આ વિષે સાંભળશે એટલે તેઓ અમને ઘેરી લઈને અમારું નામનિશાન ભૂંસી નાખશે, ત્યારે તમારા મહાન નામનું ગૌરવ જાળવવા તમે શું કરશો?” પ્રભુએ યહોશુઆને કહ્યું, “ઊભો થા! આમ જમીન પર ઊંધો કેમ પડયો છે? ઇઝરાયલે પાપ કર્યું છે! મારી સાથે કરેલો જે કરાર મેં તેમને પાળવા ફરમાવ્યો હતો તેનો તેમણે ભંગ કર્યો છે. મના કરેલ અર્પિત વસ્તુમાંથી તેમણે કંઈક લઈ લીધું છે. તેમણે તે ચોરી લીધું છે અને જુઠ્ઠું બોલ્યા છે અને તેને પોતાના સરસામાનમાં સંતાડયું છે. એને લીધે તો ઇઝરાયલીઓ પોતાના શત્રુઓ સામે ટકી શક્તા નથી. તેઓ તેમનાથી પીછેહઠ કરે છે; કારણ, તેઓ પોતે નાશપાત્ર બની ગયા છે. મના કરેલ અર્પિત વસ્તુનો તમે તમારામાંથી નાશ નહિ કરો, ત્યાં સુધી હવે હું તમારી વચ્ચે રહેવાનો નથી. તેથી ઊઠ, જઈને લોકોને શુદ્ધ કર. તેમને કહે કે તેઓ શુદ્ધ થઈને આવતી કાલે મારી સમક્ષ હાજર થવા તૈયાર થાય. કારણ, હું પ્રભુ, ઇઝરાયલનો ઈશ્વર, આમ કહું છું: ‘હે ઇઝરાયલ, તમારી મધ્યે મના કરેલી અર્પિત વસ્તુ છે; તમે તમારામાંથી એ વસ્તુ દૂર નહિ કરો ત્યાં સુધી તમે તમારા શત્રુઓ આગળ ટકવાના નથી! તેથી તેમને કહે કે, સવારમાં તમને કુળ પ્રમાણે પ્રભુ આગળ રજુ કરવામાં આવશે. પછી પ્રભુ જે કુળને પકડે તે કુળ ગોત્રવાર આગળ આવે; અને જે ગોત્રને પ્રભુ પકડે તે ગોત્ર કુટુંબવાર આગળ આવે; અને જે કુટુંબને પ્રભુ પકડે તે કુટુંબ પુરુષવાર આગળ આવે. પછી જેની પાસેથી મના કરેલી અર્પિત વસ્તુ મળી આવે તેને અને તેના સર્વસ્વને અગ્નિમાં બાળી નાખવામાં આવે; કારણ, એવા માણસે પ્રભુનો કરાર તોડીને ઇઝરાયલને ભારે કલંક લગાડયું છે.” બીજે દિવસે સવારે યહોશુઆએ ઇઝરાયલને કુળવાર રજૂ કર્યાં, તો યહૂદાનું કુળ પકડાયું. તેણે યહૂદાના કુળને ગોત્રવાર રજૂ કર્યું, તો ઝેરાનું ગોત્ર પકડાયું. પછી તેણે ઝેરાના ગોત્રને કુટુંબવાર રજૂ કર્યું તો ઝાબ્દીનું કુટુંબ પકડાયું. પછી ઝાબ્દીના કુટુંબને પુરુષવાર રજૂ કર્યું તો ઝાબ્દીના પુત્ર કાર્મીનો પુત્ર આખાન પકડાયો. યહોશુઆએ તેને કહ્યું, “મારા પુત્ર, ઇઝરાયલના ઈશ્વર પ્રભુને મહિમા આપ અને તેમની આગળ કબૂલાત કર; અને તેં શું કર્યું છે તે હવે મને કહે; મારાથી કંઈ છુપાવીશ નહિ.” આખાને યહોશુઆને ઉત્તર આપ્યો, “ખરેખર, મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે. મેં આવું કામ કર્યું છે: આપણે લૂંટેલી વસ્તુઓમાં મેં એક બેબિલોની જામો, લગભગ અઢી કિલોગ્રામ રૂપું અને આશરે અર્ધા કિલોગ્રામથી વધારે વજનની સોનાની લગડી જોયાં. એ જોઈને મને તેમનો લોભ લાગ્યો એટલે મેં તે લઈ લીધાં. મેં તેમને મારા તંબુમાં દાટી દીધાં છે, અને તેમાં રૂપું સૌથી નીચે મૂકેલું છે.” તેથી યહોશુઆએ કેટલાક માણસો મોકલ્યા. તેમણે તંબુએ દોડી જઈને જોયું તો મના કરેલી અર્પિત વસ્તુઓ ત્યાં સંતાડેલી હતી; અને રૂપું સૌથી નીચે મૂકેલું હતું. તેઓ તે વસ્તુઓ તંબુમાંથી કાઢીને યહોશુઆ તથા ઇઝરાયલીઓ પાસે લઈ આવ્યા, અને ત્યાં પ્રભુની સમક્ષ મૂકી. પછી યહોશુઆ અને તેની સાથેના સર્વ ઇઝરાયલીઓ ઝેરાના વંશજ આખાનને, રૂપું, જામો, સોનાની લગડી, તેના દીકરા-દીકરીઓ, તેના આખલા, તેનાં ગધેડાં, તેનાં ઘેટાં, તેનો તંબુ અને તેના સર્વસ્વને લઈને આખોરની ખીણમાં ગયા. યહોશુઆએ તેને પૂછયું, “તું શા માટે અમારા પર આવી આફત લાવ્યો? હવે પ્રભુ તારા પર આફત લાવશે!” સર્વ લોકોએ આખાનને પથ્થરે માર્યો; તેમણે તેના કુટુંબીજનોને પણ પથ્થરે માર્યાં અને તેમને તથા તેમની માલમિલક્તને આગમાં બાળી નાખ્યાં. તેમણે તેના પર પથ્થરોનો મોટો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં છે. એ પછી પ્રભુનો કોપ શમ્યો. એટલા જ માટે આજે પણ તે આખોર (આફત)ની ખીણ તરીકે ઓળખાય છે. પ્રભુએ યહોશુઆને કહ્યું, “તારી સાથે સર્વ સૈનિકોને લઈને આય પર ચડાઈ કર. તું ગભરાઈશ નહિ અથવા નાહિમ્મત થઈશ નહિ. હું તને આયના રાજા પર વિજય પમાડીશ, અને તેના લોકો, તેનું શહેર અને તેનો પ્રદેશ તારે સ્વાધીન કરી દઈશ. તમે યરીખોના જેવા હાલહવાલ કર્યા તેવા જ તમે આય અને તેના રાજાના કરજો, પણ આ વખતે તમે તેમનો સરસામાન અને ઢોર લૂંટીને તમારે માટે રાખી લેજો. શહેર પર ઓચિંતો છાપો મારવા માટે શહેરની પાછળ માણસોને સંતાડી રાખજે.” તેથી યહોશુઆ પોતાના સર્વ સૈનિકોને લઈને આય જવા તૈયાર થયો. યહોશુઆએ ત્રીસ હજાર શૂરવીર પુરુષોને ચૂંટી કાઢીને તેમને રાત્રે મોકલ્યા. તેણે તેમને આવો આદેશ આપ્યો, “નગરની પેલી તરફ પાછળ સંતાઈ રહો, પણ નગરથી બહુ દૂર જતા નહિ; વળી છાપો મારવાને તૈયાર રહેજો. હું અને મારી સાથેના સૈનિકો નગર પાસે આવીશું. જ્યારે આયના લોકો અમારા પર બહાર નીકળીને ધસી આવે, ત્યારે અગાઉની જેમ અમે તેમનાથી પાછા ફરીને નાસીશું. પછી તેઓ અમારો પીછો કરશે, અને અમે તેમને શહેરથી ઘણે દૂર ખેંચી જઈશું. તેઓ એમ માની લેશે કે આપણે પહેલાંની જેમ નાસીએ છીએ. પછી તમે તમારી સંતાવાની જગ્યાએથી આવીને શહેરને કબજે કરી લેજો. કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમને તે સોંપી દેશે, શહેર જીતી લીધા પછી પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે તમે તેને આગ લગાડજો. તો તમારે માટે મારો આટલો આદેશ છે.” આમ, યહોશુઆએ તેમને રવાના કર્યા, અને તેઓ આયની પશ્ર્વિમે, આય અને બેથેલની વચ્ચે તેમની સંતાવાની જગ્યાએ પહોંચી ગયા અને ત્યાં રોકાયા. યહોશુઆએ છાવણીમાં જ રાત ગાળી. વહેલી સવારે યહોશુઆ ઊઠયો અને તેણે બધા સૈનિકોને એકત્ર કરી તેમની હાજરી પૂરી. પછી તે તથા ઇઝરાયલના આગેવાનો તેમની સરદારી હેઠળ તે સૈનિકોને લઈને આય ગયા. યહોશુઆની સાથેના સૈનિકો શહેરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ ગયા અને ઉત્તર બાજુએ પડાવ નાખ્યો; તેમની અને આયની વચમાં ખીણ હતી. તેણે આશરે પાંચ હજાર માણસો લઈને તેમને શહેરની પશ્ર્વિમે, બેથેલ અને આયની વચમાં સંતાડી રાખ્યા. આમ, સૈનિકોને આવી રીતે ગોઠવ્યા: લોકોની મુખ્ય છાવણી ઉત્તરમાં રાખી અને બાકીના લોકોને પશ્ર્વિમ તરફ સંતાડી રાખ્યા. યહોશુઆએ તો ખીણમાં રાત ગાળી. જ્યારે આયના રાજાએ યહોશુઆના માણસોને જોયા ત્યારે તે તથા તેના સર્વ માણસો અરાબાની દિશામાં આવેલ ખીણપ્રદેશના અગાઉના સ્થળે ઇઝરાયલીઓ સામે લડવાને ઉતાવળે બહાર નીકળી આવ્યા; પણ તેને ખબર નહોતી કે નગરની પાછળ તેના પર છાપો મારવાને માણસો સંતાઈ રહેલ છે. યહોશુઆ અને તેના માણસો પીછેહઠ કરવાનો ઢોંગ કરીને વેરાનપ્રદેશ તરફ નાસવા લાગ્યા. તેમની પાછળ પડવા માટે શહેરના સર્વ લોકોને એકત્ર કરવામાં આવ્યા હતા, અને તેઓએ યહોશુઆનો પીછો કર્યો ત્યારે તેઓ તેમને શહેરથી દૂરને દૂર ખેંચી ગયા. આય અને બેથેલના બધા જ માણસો ઇઝરાયલીઓની પાછળ પડયા અને તેઓ નગરને ખુલ્લું મૂકીને ગયા, અને કોઈ તેનું રક્ષણ કરનાર નહોતું. પછી પ્રભુએ યહોશુઆને કહ્યું, “તારો ભાલો આય તરફ લાંબો કર; હું તેને તારા હાથમાં સોંપી દઉં છું.” યહોશુઆએ એ પ્રમાણે કર્યું. તેણે જેવો પોતાનો હાથ ઊંચો કર્યો કે સંતાઈ રહેલા માણસોએ તાત્કાલિક ઊઠીને નગરમાં દોડીને પેસી ગયા અને તેને કબજે કરી લીધું. પછી તરત જ તેમણે શહેરને આગ લગાડી. આયના માણસોએ પાછા વળીને જોયું તો શહેરમાંથી ગગનમાં ધૂમાડો ચડતો જોયો. હવે તેમને માટે નાસી છૂટવાનો કોઈ માર્ગ નહોતો, કારણ, વેરાનપ્રદેશ તરફ નાસી ગયેલા ઇઝરાયલીઓએ હવે પાછા ફરીને તેમના પર હુમલો કર્યો. અન્ય ઇઝરાયલીઓએ શહેરને કબજે કરીને તેને આગ લગાડી છે એ જોતાં યહોશુઆ અને તેના માણસોએ પાછા ફરીને આયના લોકોની ક્તલ ચલાવી. શહેરમાં ગયેલા ઇઝરાયલીઓ પણ ત્યાંથી ધસી આવ્યા. આમ, આયના લોકો ઇઝરાયેલીઓની વચમાં સપડાઈ ગયા. અને તેઓ બધા માર્યા ગયા; એમાંનો એક પણ છટકી જવા પામ્યો નહિ કે એક પણ જીવતો રહ્યો નહિ. માત્ર તેઓ આયના રાજાને જીવતો પકડીને યહોશુઆ પાસે લાવ્યા. ઇઝરાયલીઓએ વેરાનપ્રદેશના રણક્ષેત્રમાં તેમનો પીછો કરવા આવેલા આયના પ્રત્યેક રહેવાસીનો સંહાર કર્યો. પછી તેઓ ત્યાંથી પાછા ફરીને આય ગયા અને ત્યાં બધાંનો તલવારથી નાશ કર્યો. તે દિવસે આયના બધા જ લોકો, એટલે બાર હજાર સ્ત્રીપુરુષો માર્યા ગયા. આયના એકેએક જણનો સંહાર થતાં સુધી યહોશુઆએ પોતાનો ભાલો આય તરફ તાકેલો રાખ્યો અને પાછો ખેંચી લીધો નહિ. પ્રભુએ યહોશુઆને કહ્યું હતું તેમ શહેરમાંથી લૂંટી લીધેલાં ઢોર અને સરસામાન ઇઝરાયલીઓએ પોતાને માટે રાખી લીધાં. યહોશુઆએ આયને બાળીને તેને ખંડિયેર બનાવી દીધું. આજ દિન સુધી તે તેવું જ છે. તેણે આયના રાજાને સાંજ સુધી વૃક્ષ પર લટકાવી રાખ્યો. સૂર્યાસ્ત સમયે યહોશુઆએ તેના મૃતદેહને ઉતારી દેવા હુકમ કર્યો, અને એ મૃતદેહ શહેરના પ્રવેશદ્વાર આગળ નાખી દીધો. તેની ઉપર તેમણે પથ્થરોનો મોટો ઢગલો કર્યો; જે આજ સુધી ત્યાં છે. પછી યહોશુઆએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના ભજન માટે એબાલ પર્વત પર એક વેદી બાંધી. તેણે તે વેદી પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલીઓને આપેલી સૂચનાઓ પ્રમાણે એટલે, “લોઢાનાં હથિયારનો પ્રહાર કરી ઘડેલા ન હોય તેવા પથ્થરોમાંથી વેદી બનાવવી,” એવું જે મોશેના નિયમશાસ્ત્રમાં લખેલું તે પ્રમાણે બનાવી. તેના પર તેમણે પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા. યહોશુઆએ ત્યાં ઇઝરાયલીઓના દેખતાં મોશેના નિયમશાસ્ત્રની નકલ પથ્થરો પર ઉતારી લીધી. સર્વ ઇઝરાયલીઓ, તથા તેમના આગેવાનો, અધિકારીઓ અને ન્યાયાધીશો તેમજ તેમની વચમાં વસતા પરદેશીઓ પ્રભુની કરારપેટીની બન્‍ને બાજુએ, કરારપેટી ઊંચકનારા લેવીવંશી યજ્ઞકારો સામે મોં રાખીને ઊભા રહ્યા; એમાંથી અર્ધા લોકોની પીઠ ગરીઝીમ પર્વત તરફ અને અર્ધા લોકોની પીઠ એબાલ પર્વત તરફ હતી; પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલી લોકોને આશિષ મેળવતી વખતે ઠરાવેલ ક્રમ પ્રમાણે તેઓ ઊભા રહ્યા. યહોશુઆએ તેમની સમક્ષ આખું નિયમશાસ્ત્ર મોટેથી વાંચ્યું; નિયમશાસ્ત્રમાં લખેલાં આશિષ અને શાપ પણ તેણે વાંચી સંભળાવ્યાં. સ્ત્રીઓ અને બાળકો સહિત તેમજ ઇઝરાયલીઓની વચમાં રહેતા પરદેશીઓ સહિત એકત્ર થયેલી આખી સભા સમક્ષ યહોશુઆએ મોશેની બધી જ આજ્ઞાઓ વાંચી સંભળાવી. હવે યર્દનની પશ્ર્વિમ તરફના, એટલે પહાડીપ્રદેશના, નીચાણના પ્રદેશના, અને ઉત્તરમાં છેક લબાનોન સુધી ભૂમધ્ય સમુદ્રના કિનારા પાસેના પ્રદેશના સર્વ રાજાઓએ ઇઝરાયલીઓના વિજયો વિષે સાંભળ્યું. એ તો હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના રાજાઓ હતા. તે સૌએ એકત્ર થઈને યહોશુઆ અને ઇઝરાયલીઓ સામે યુદ્ધ કરવા પોતાનાં લશ્કરો સાબદાં કર્યાં: પરંતુ યહોશુઆએ યરીખો અને આયના જે હાલહવાલ કર્યા હતા તે વિષે ગિબ્યોનના લોકોએ સાંભળ્યું હતું. તેમણે તેને છેતરવાનો નિર્ણય કર્યો. તેઓ થોડો ખોરાક લઈ આવ્યા અને ર્જીણ થેલાઓ અને થીંગડાં દીધેલી દ્રાક્ષાસવની મશકોથી પોતાનાં ગધેડાં લાદયાં. તેમણે ફાટેલાંતૂટેલાં વસ્ત્રો અને સંધાવીને પહેરેલાં ઘસાઈ ગયેલાં પગરખાં પહેર્યાં હતાં. તેમણે લીધેલી રોટલી સુકાઈ ગયેલી અને ફૂગાઈ ગયેલી હતી. પછી તેમણે ગિલ્ગાલની છાવણીમાં જઈને યહોશુઆને તથા ઇઝરાયલી માણસોને કહ્યું, “અમે દૂર દેશથી આવ્યા છીએ. તમે અમારી સાથે સંધિકરાર કરો.” પણ ઇઝરાયલી માણસોએ હિવ્વીઓને કહ્યું, “કદાચ તમે અમારી નજીકમાં જ વસતા હો તો અમારે તમારી સાથે સંધિકરાર કરવાની શી જરૂર છે?” તેમણે યહોશુઆને કહ્યું, “અમે તમારા દાસ છીએ.” યહોશુઆએ તેમને પૂછયું, “તમે કોણ છો? કયાંથી આવ્યા છો?” ત્યારે તેમણે તેને કહ્યું, “તમારા ઈશ્વર યાહવેની ખ્યાતિ સાંભળીને આ તમારા દાસ દૂર દેશથી આવ્યા છે. તેમણે ઇજિપ્તમાં કરેલાં મહાન કાર્યો વિષે અમે સાંભળ્યું છે. વળી, યર્દનની પૂર્વગમના અમોરી રાજાઓ એટલે, હેશ્બોનના રાજા સિહોન અને આશ્તારોથમાં રહેનાર બાશાનના રાજા ઓગના તેમણે જે હાલ કર્યા તે પણ અમે સાંભળ્યું છે. તેથી અમારા આગેવાનો અને અમારા દેશના સર્વ રહેવાસીઓએ અમને મુસાફરી માટે થોડો ખોરાક લઈને તમને મળવા જવાનું કહ્યું. અમે તમારા જ દાસ છીએ અને તેથી તમે અમારી સાથે સંધિકરાર કરો, એવું તમને કહેવા તેમણે અમને કહ્યું હતું. આ અમારી રોટલી જુઓ. અમે એ લઈને તમને મળવાને ઘેરથી નીકળ્યા ત્યારે તો તે ગરમાગરમ હતી. પણ જુઓ, હવે તે સુકાઈ ગયેલી અને ફૂગાઈ ગયેલી છે. અમે આ દ્રાક્ષાસવની મશકો ભરી લીધી ત્યારે તે તદ્દન નવી હતી, પણ અત્યારે તે ફાટીતૂટી છે. લાંબી મુસાફરીમાં અમારાં વસ્ત્રો અને પગરખાં પણ ફાટી ગયાં છે.” ઇઝરાયલી માણસોએ તેમની પાસેના ખોરાકમાંથી થોડું લીધું, પણ તેમણે પ્રભુની સલાહ લીધી નહિ. યહોશુઆએ ગિબ્યોનના લોકો સાથે મિત્રતાનો કરાર કર્યો અને તેમને જીવતા રહેવા દીધા. ઇઝરાયલી સમાજના આગેવાનોએ એ કરાર પાળવા સમય ખાધા. કરાર થયા પછી ત્રણ દિવસ બાદ ઇઝરાયલીઓને ખબર પડી કે આ લોકો તો તેમની નજીકમાં રહેનારા છે. તેથી ઇઝરાયલી લોકો ઉપડયા અને ત્રણ દિવસ પછી એ લોકોના વસવાટનાં નગરો એટલે ગિબ્યોન, કફીરા, બએરોથ, અને કિર્યાથ-યઆરીમમાં પહોંચ્યા. પણ ઇઝરાયલીઓએ તેમને મારી નાખ્યા નહિ, કારણ, તેમના આગેવાનોએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે સમ ખાઈને તેમને વચન આપ્યું હતું. સર્વ લોકોએ એ માટે ઇઝરાયલી સમાજના આગેવાનોની ટીકા કરી. પણ તેમણે જવાબ આપ્યો, “અમે ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે સમ ખાઈને તેમને વચન આપ્યું છે, તેથી અમે તેમને કંઈ કરી શક્તા નથી. અમે ખાધેલા સમને લીધે આપણે તેમને જીવતા રહેવા દેવા પડશે; નહિ તો અમારા પર ઈશ્વરનો કોપ આવી પડશે. તો હવે તેઓ ભલે જીવતા રહે, પણ શરત એ કે તેઓ આપણે માટે લાકડાં કાપનાર અને પાણી ભરનારા બને.” આગેવાનોએ એ સૂચન કર્યું. યહોશુઆએ ગિબ્યોનના લોકોને પોતાની સમક્ષ લાવવા હુકમ કર્યો. તેણે તેમને પૂછયું, “તમે અહીં જ વસો છો તો પછી અમે દૂર દેશથી આવ્યા છીએ એવું કહીને તમે અમને શા માટે છેતર્યા? એને લીધે તમે ઈશ્વરનો શાપ વહોરી લીધો છે. તમે લોકો સદાને માટે મારા ઈશ્વરના પવિત્રસ્થાન માટે લાકડાં કાપવા અને પાણી ભરવા વેઠ કરનારા બની રહેશો.” તેમણે જવાબ આપ્યો, “અમે એટલા માટે એમ કર્યું કે તમારા ઈશ્વર પ્રભુએ પોતાના સેવક મોશેને તમને આ આખો દેશ આપવાની અને તમે આગળ વધો તેમ તેમ તેના રહેવાસીઓનો સંહાર કરવાની આજ્ઞા આપી હતી તેવી અમને ચોક્કસ ખબર મળી હતી. તમારાથી ગભરાઈ જઈને અમે એ કર્યું છે; કારણ, અમને અમારા જીવ જવાનો ભય હતો. પણ હવે અમે તમારા હાથમાં છીએ; તમને યોગ્ય લાગે તે કરો.” તેથી યહોશુઆએ તેમને રક્ષણ આપ્યું અને ઇઝરાયલીઓને તેમનો સંહાર કરવા દીધો નહિ. પણ તેણે તેમને ઇઝરાયલી લોકો માટે અને પ્રભુની વેદી માટે લાકડાં કાપવા તથા પાણી ભરવા દાસ બનાવ્યા. આજ દિન સુધી પ્રભુ ભજનને માટે પસંદ કરે તે સ્થળમાં તેઓ એ કામ કરતા આવ્યા છે. હવે યરુશાલેમના રાજા અદોનીસેદેકે સાંભળ્યું કે યહોશુઆએ આયને કબજે કરીને તેનો સંપૂર્ણ નાશ કર્યો છે અને આયના તથા તેના રાજાના હાલ યરીખોના તથા તેના રાજાના હાલ જેવા કર્યા છે; વળી, ગિબ્યોનના લોકોએ પણ ઇઝરાયલીઓ સાથે સલાહશાંતિ કરી લીધાં છે અને તેઓ તેમની સાથે રહે છે, તે પણ તેના સાંભળવામાં આવ્યું. એનાથી યરુશાલેમના લોકો ચોંકી ઊઠયા; કારણ, ગિબ્યોન તો બીજાં રાજવી નગરોના જેટલું જ મોટું હતું; બલ્કે, તે આય કરતાં પણ મોટું હતું અને તેના માણસો સારા લડવૈયા હતા. તેથી અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફિયાને તથા એગ્લોનના રાજા દબીરને આવો સંદેશો મોકલ્યો: “અહીં આવીને ગિબ્યોન પર આક્રમણ કરવા મને મદદ કરો, કારણ, તેના લોકોએ યહોશુઆ તથા ઇઝરાયલીઓ સાથે સલાહસંપ કરી લીધો છે.” આમ, યરુશાલેમ, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોન એ પાંચ નગરોના અમોરી રાજાઓએ પોતાનાં લશ્કરીદળો એકત્ર કરી ગિબ્યોનને ઘેરી લીધું અને તેના પર હુમલો કર્યો. ગિબ્યોનના લોકોએ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆને સંદેશો મોકલ્યો: “તમારા દાસોનો તમે ત્યાગ કરશો નહિ; પણ અહીં તાત્કાલિક અમારી મદદે આવો. કારણ, પહાડીપ્રદેશના સર્વ અમોરી રાજાઓ અમારી વિરુદ્ધ એક થઈ અમારા પર ચડી આવ્યા છે.” તેથી યહોશુઆ પોતાની સાથે શ્રેષ્ઠ શૂરવીરો સહિત આખા સૈન્યને લઈને ગિલ્ગાલથી ઉપડયો. પ્રભુએ યહોશુઆને કહ્યું, “તેમનાથી ગભરાઈશ નહિ; મેં તો તને તેમના પર વિજય પમાડી દીધો છે. તારી સામે એમાંનો એકેય ટકી શકવાનો નથી.” યહોશુઆ અને તેનું સૈન્ય ગિલ્ગાલથી ગિબ્યોન સુધી આખી રાત કૂચ કરી પહોંચી ગયા અને અમોરીઓ પર ઓચિંતો હુમલો કર્યો. અમોરીઓએ ઇઝરાયલી સૈન્યને જોયું કે પ્રભુએ તરત જ અમોરીઓમાં આતંક ફેલાવી દીધો. ઇઝરાયલીઓએ ગિબ્યોન આગળ તેમનો મોટો સંહાર કર્યો, અને બેથ-હોરોનના ઘાટ તરફ તેમનો પીછો કર્યો અને દક્ષિણે છેક અઝેકા અને માક્કેદા સુધી તેમના પર હુમલો જારી રાખ્યો. અમોરીઓ ઇઝરાયલી સૈન્ય આગળથી ઘાટમાં થઈને નાસી રહ્યા હતા ત્યારે છેક અઝેકા સુધી પ્રભુએ તેમના પર મોટા કરા વરસાવીને તેમને માર્યા. ઇઝરાયલીઓ દ્વારા જેટલા માર્યા ગયા તેના કરતાં કરાથી માર્યા ગયેલાઓની સંખ્યા વધારે હતી. જે દિવસે પ્રભુએ ઇઝરાયલના માણસોને અમોરીઓ પર વિજય પમાડયો તે દિવસે યહોશુઆએ પ્રભુ સાથે વાત કરી. ઇઝરાયલીઓની હાજરીમાં તેણે કહ્યું, “ઓ સૂર્ય, તું ગિબ્યોન પર રોકાઈ જા. ઓ ચંદ્ર, તું આયાલોનની ખીણ પર થંભી જા.” ઇઝરાયલી લોકોએ પોતાના શત્રુઓને પરાજિત કર્યા ત્યાં સુધી સૂર્ય ગિબ્યોન પર સ્થિર રહ્યો; અને ચંદ્ર પોતાના સ્થાનમાંથી ખસ્યો નહિ. યાશારના પુસ્તકમાં આ વિષે લખેલું છે. સૂર્ય આકાશની મધ્યમાં સ્થિર રહ્યો અને એક આખા દિવસ સુધી આથમ્યો નહિ. પ્રભુ માણસની વાણીને આ રીતે આધીન થયા હોય એવો દિવસ આ પહેલાં કે તે પછી થયો નથી. પ્રભુ ઇઝરાયલના પક્ષમાં રહીને લડયા! તે પછી યહોશુઆ અને તેનું સૈન્ય ગિલ્ગાલમાં તેમની છાવણીમાં પાછાં ગયાં. અમોરીઓના પાંચ રાજાઓનો સંહાર પેલા પાંચ અમોરી રાજાઓ નાસી છૂટયા અને માકકેદામાં આવેલી ગુફામાં સંતાયા. કોઈકે યહોશુઆને જણાવ્યું, “પાંચ રાજાઓ માક્કેદાની ગુફામાં સંતાયા છે.” યહોશુઆએ કહ્યું, “ગુફાના પ્રવેશદ્વાર આગળ મોટા પથ્થર ગબડાવીને મૂકો અને તે પર ચોકીપહેરો મૂકો; પણ તમે બધા ત્યાં જ રોકાઈ રહેશો નહિ. શત્રુની પાછળ પડો અને તેમના પર પાછળથી હુમલો કરો. તેમને તેમનાં નગરોમાં ધૂસી જવા દેતા નહિ. તમારા ઈશ્વર પ્રભુએ તમને તેમના પર વિજય પમાડયો છે.” યહોશુઆ અને તેના માણસોએ ભારે ક્તલ ચલાવીને મોટો સંહાર કર્યો; છતાં તેમાંથી કેટલાક નગરકોટની અંદર સલામત સ્થળે નાસી ગયા અને તેથી માર્યા ગયા નહિ. પછી યહોશુઆના સર્વ માણસો તેની પાસે માક્કેદાની ગુફા પાસે સહીસલામત આવી પહોંચ્યા. દેશમાં ઇઝરાયલીઓ વિરુદ્ધ એક હરફ પણ ઉચ્ચારવાની કોઈનામાં હિમ્મત રહી નહિ. પછી યહોશુઆએ કહ્યું, “ગુફાનું પ્રવેશદ્વાર ખુલ્લું કરો અને પેલા પાંચ રાજાઓને મારી પાસે બહાર લઈ આવો. તેથી ગુફા ઉઘાડવામાં આવી અને યરુશાલેમ, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના એ પાંચ રાજાઓને બહાર લાવવામાં આવ્યા. તેમને યહોશુઆ પાસે લઈ ગયા એટલે યહોશુઆએ ઇઝરાયલના સર્વ માણસોને એકત્ર કર્યા અને તેની સાથે લડાઈમાં ગયેલા લશ્કરી અમલદારોને આવો આદેશ આપ્યો, “આગળ આવો, અને આ રાજાઓની ગરદન પર તમારા પગ મૂકો!” તેથી તેઓ આગળ આવ્યા અને પોતાના પગ તેમની ગરદન પર મૂકયા. પછી યહોશુઆએ પોતાના અમલદારોને કહ્યું, “બીશો નહિ કે હતાશ થશો નહિ, પણ દૃઢ તથા હિમ્મતવાન થાઓ; કારણ, પ્રભુ તમારા સર્વ શત્રુઓને આ જ પ્રમાણે કરશે.” પછી યહોશુઆએ એ પાંચેય રાજાઓને મારી નાખ્યા, અને તેમનાં શબ પાંચ વૃક્ષ પર લટકાવ્યાં; સાંજ સુધી તેમનાં શબ ત્યાં રહ્યાં. સૂર્યાસ્તને સમયે યહોશુઆએ એમનાં શબ ઉતારી લઈને તેઓ જ્યાં સંતાયા હતા તે જ ગુફામાં નાખી દેવા હુકમ કર્યો. એ ગુફાના પ્રવેશદ્વાર આગળ મોટા પથ્થરો મૂકવામાં આવ્યા; જે આજે પણ ત્યાં છે. એ જ દિવસે યહોશુઆએ માક્કેદા પર ચડાઈ કરીને તેને જીતી લીધું અને તેને તથા તેના રાજાને તરવારથી માર્યા. તેણે નગરના સૌ કોઈને મારી નાખ્યાં; એકેયને જીવતું રહેવા દીધું નહિ. તેણે જેવા યરીખોના રાજાના હાલહવાલ કર્યા હતા તેવા જ માક્કેદાના રાજાના પણ કર્યા. તે પછી યહોશુઆ અને ઇઝરાયલી સૈનિકો માક્કેદાથી લિબ્ના ગયા અને લિબ્ના પર ચડાઈ કરી. પ્રભુએ એ નગર તથા તેના લોકો પર પણ ઇઝરાયલીઓને વિજય પમાડયો. તેમણે કોઈને જીવતો રહેવા ન દેતાં તેમાંના પ્રત્યેકને મારી નાખ્યો. તેમણે જેવા યરીખોના રાજાના હાલહવાલ કર્યા હતા તેવા જ તે નગરના રાજાના પણ કર્યા. એ પછી યહોશુઆ અને ઇઝરાયલી સૈનિકો લિબ્નાથી લાખીશ ગયા અને લાખીશને ઘેરો ઘાલીને તેના પર હુમલો કર્યો. પ્રભુએ લડાઈને બીજે દિવસે ઇઝરાયલીઓને લાખીશ પર વિજય પમાડયો. તેમણે લિબ્નામાં કર્યું હતું તે જ રીતે નગરમાં કોઈને જીવતું રહેવા નહિ દેતાં એકેએકને મારી નાખ્યું. ગેઝેરનો રાજા હોરામ લાખીશની મદદે આવ્યો પણ યહોશુઆએ તેનો અને તેના સૈન્યનો પરાજય કર્યો અને એમાંના કોઈને જીવતો રહેવા ન દીધો. એ પછી, યહોશુઆ અને તેના ઇઝરાયલી સૈનિકો લાખીશથી એગ્લોન ગયા અને એગ્લોનને ઘેરો ઘાલીને તેના પર હુમલો કર્યો. એ જ દિવસે તેમણે તેને કબજે કર્યું અને લાખીશની જેમ ત્યાંના પણ બધાં માણસોને મારી નાખ્યાં. એ પછી, યહોશુઆ અને ઇઝરાયલી સૈનિકો એગ્લોનથી પહાડીપ્રદેશમાં આવેલા હેબ્રોનમાં ગયા અને તેના પર હુમલો કર્યો, અને તેને કબજે કર્યું. તેમણે તેના રાજાનો તથા નગર અને આસપાસનાં ગામોમાં વસતા સૌનો સંહાર કર્યો. યહોશુઆએ એગ્લોનની જેમ હેબ્રોનનો પણ સંપૂર્ણ વિનાશ કર્યો; એમાં કોઈને જીવતું રહેવા દીધું નહિ. એ પછી, યહોશુઆ અને ઇઝરાયલી સૈનિકો પાછા ફરીને દબીર ગયા અને તેના પર હુમલો કર્યો. તેણે તેને તેના રાજા તથા આસપાસનાં ગામો સહિત જીતી લીધું. તેમણે ત્યાં બધાંને મારી નાખ્યાં. યહોશુઆએ હેબ્રોન તથા લિબ્ના તથા તેમના રાજાઓના જેવા હાલહવાલ કર્યા હતા તેવા દબીર અને તેના રાજાના પણ કર્યા. આમ, યહોશુઆએ આખો દેશ જીતી લીધો. તેણે પહાડીપ્રદેશના, પૂર્વના ઢોળાવના પ્રદેશના, પશ્ર્વિમના તળેટીના પ્રદેશના અને દક્ષિણના સૂકા પ્રદેશના રાજાઓનો પરાજય કર્યો. ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ આપેલી આજ્ઞા અનુસાર તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ; બલ્કે પ્રાણીમાત્રનો સંહાર કર્યો. યહોશુઆએ કાદેશ-બાર્નિયાથી ગાઝા સુધીનો પ્રદેશ તેમજ ગિબ્યોન સુધીનો આખો ગોશેન પ્રદેશ જીતી લીધો. યહોશુઆએ લડાઈની આ એક જ ઝુંબેશમાં આ બધા રાજાઓ અને તેમના પ્રદેશો જીતી લીધા; કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ ઇઝરાયલને પક્ષે રહીને લડતા હતા. એ પછી યહોશુઆ અને તેના ઇઝરાયલી સૈનિકો ગિલ્ગાલની છાવણીમાં પાછા ફર્યા. હાસોરના રાજા યાબીને ઇઝરાયલના વિજયો વિષે સાંભળીને તેણે માદોનના રાજા યોબાબને, શિમ્રોનના રાજાને, આખશાફ રાજાને, તેમજ ઉત્તરના પહાડીપ્રદેશના, ગાલીલ સરોવરની દક્ષિણે યર્દનની ખીણપ્રદેશના, તળેટીના પ્રદેશના અને દોર નજીકના દરિયાકિનારાના રાજાઓને સંદેશો મોકલ્યો. વળી, તેણે યર્દનની પૂર્વ અને પશ્ર્વિમ તરફ વસતા કનાનીઓને, અમોરીઓને, હિત્તીઓને, પરિઝ્ઝીઓને અને પહાડીપ્રદેશના યબૂસીઓને તેમ જ મિસ્પાના પ્રદેશમાં હેર્મોન પર્વતની તળેટીમાં વસતા હિવ્વીઓને પણ સંદેશો મોકલ્યો. તેઓ તેમના સર્વ સૈનિકો લઈને આવી પહોંચ્યા; તેથી એ સૈન્ય સમુદ્રકિનારાની રેતીના કણ જેવું અગણિત હતું. તેમની પાસે ઘણા ઘોડા અને રથો હતા. આ બધા રાજાઓએ ઇઝરાયલની સામે લડવા માટે પોતાનાં લશ્કરી દળો સંગઠિત કરીને આવ્યા અને મેરોમના વહેળા પાસે એકત્ર છાવણી નાખી. પ્રભુએ યહોશુઆને કહ્યું, “તેમનાથી ગભરાઈ જઈશ નહિ. આવતી કાલે આ સમય સુધીમાં તો હું તેમનો સંહાર કરીને તેમને ઇઝરાયલને સ્વાધીન કરી દઈશ. તારે તેમના ઘોડાઓને જાંઘ નસો કાપી નાખી અપંગ બનાવી દેવાના છે અને તેમના રથોને બાળી નાખવાના છે.” તેથી યહોશુઆ અને તેના સર્વ માણસો મેરોમના વહેળા આગળ તેમના પર ઓચિંતા ત્રાટક્યા. પ્રભુએ ઇઝરાયલીઓને તેમના પર વિજય પમાડયો. ઇઝરાયલીઓએ તેમના પર હુમલો કરી ઉત્તરમાં છેક મિસ્રેફોથ-માઈમ અને મોટા સિદોન સુધી અને પૂર્વમાં છેક મિસ્પાની ખીણ સુધી પીછો કર્યો. દુશ્મનોમાંથી એકેય જીવતો ન રહ્યો ત્યાં સુધી લડાઈ ચાલી. પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે યહોશુઆએ કર્યું: તેણે તેમના ઘોડાઓની નસો કાપી નાખીને તેમને અપંગ બનાવી દીધા અને તેમના રથ બાળી નાખ્યા. પછી યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું અને તેના રાજાને મારી નાખ્યો. (તે સમયમાં બધાં રાજ્યોમાં હાસોર સૌથી શક્તિશાળી રાજ્ય હતું.) તેમણે સર્વ જીવતાઓની કત્લેઆમ કરી નાખી; એકેયને જીવતું રહેવા દીધું નહિ, અને નગરને બાળીને ભસ્મ કરી નાખ્યું. યહોશુઆએ પ્રભુના સેવક મોશેએ આપેલી આજ્ઞા પ્રમાણે આ બધાં રાજવી નગરો અને તેમનાં ગામ કબજે કર્યાં અને ત્યાંના સૌ કોઈને તલવાર ચલાવી મારી નાખ્યાં. છતાં યહોશુઆએ હાસોર નગરને બાળી નાખ્યું તે સિવાય ઇઝરાયલીઓએ ટેકરા પર આવેલાં અન્ય કોઈ નગરોને બાળી નાખ્યાં નહિ. ઇઝરાયલના લોકોએ એ શહેરોની સર્વ સંપત્તિ અને ઢોરઢાંક પોતાને માટે લૂંટી લીધાં. પણ પ્રત્યેક માણસનો તેમણે સંહાર કર્યો અને એકેયને જીવતું રહેવા દીધું નહિ. પ્રભુએ પોતાના સેવક મોશેને આજ્ઞાઓ આપી હતી અને મોશેએ એ આજ્ઞાઓ યહોશુઆને આપી અને યહોશુઆએ તેમનું પાલન કર્યું. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞાઓમાંથી યહોશુઆએ અમલ કર્યા વિના એકપણ આજ્ઞા રહેવા દીધી નહિ. યહોશુઆએ આખો દેશ જીતી લીધો: પહાડી પ્રદેશ, દક્ષિણનો આખો નેગેવનો પ્રદેશ, ગોશેનનો આખો પ્રાંત, પશ્ર્વિમનો તળેટીનો પ્રદેશ, અરાબાનો પ્રદેશ, તળેટીના પ્રદેશસહિત ઇઝરાયલના પર્વતો, સેઈર તરફના હાલાક પર્વતથી શરૂ કરીને હેર્મોન પર્વતની તળેટીમાં આવેલા યર્દનના ખીણપ્રદેશમાં આવેલ બાલ-ગાદ સુધીનો પ્રદેશ. તેણે એ પ્રદેશના બધા રાજાઓને પકડીને તેમને ખતમ કરી નાખ્યા. એ બધા રાજાઓ સાથે યહોશુઆને લાંબો સમય યુદ્ધ કરવું પડયું હતું. માત્ર ગિબ્યોન નગરમાં રહેતા હિવ્વી લોકો સાથે જ ઇઝરાયલના લોકોએ સંધિ કરી; એ સિવાય બાકીના સૌને તેમણે લડાઈમાં જીતી લીધા. એ બધા લોકો ઇઝરાયલની વિરુદ્ધ લડાઈ કરે તે માટે પ્રભુએ તેમનાં મન હઠાગ્રહી બનાવ્યા; જેથી તેમનો સંપૂર્ણ વિનાશ થાય અને તેઓ નિર્દય રીતે માર્યા જાય. પ્રભુએ મોશેને અગાઉ એવું જ કરવા માટે આજ્ઞા આપી હતી. યહોશુઆએ એ જ સમય દરમ્યાન હેબ્રોન, દબીર અને અનાબના પહાડી- પ્રદેશમાં તેમ જ યહૂદિયાના પહાડીપ્રદેશમાં વસતા અનાકીમ વંશના કદાવર લોકોનો અને તેમનાં નગરોનો નાશ કર્યો. ગાઝા, ગાથ અને આશ્દોદ સિવાય ઇઝરાયલ દેશમાં અન્ય કોઈ જગ્યાએ અનાકી જાતિનો કોઈ માણસ બાકી રહ્યો નહિ. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા અનુસાર યહોશુઆએ આખો દેશ જીતી લીધો. યહોશુઆએ ઇઝરાયલીઓને એ દેશ તેમને પોતાના વતન તરીકે કુળવાર વહેંચી આપ્યો. પછી દેશમાં લડાઈ બંધ થઈ. ઇઝરાયલના લોકોએ યર્દનના પૂર્વ કાંઠા તરફ અરાબાના આખા પૂર્વપ્રદેશ સહિત આર્નોનની ખીણથી ઉત્તરમાં છેક હેર્મોન સુધીનો સમગ્ર પ્રદેશ જીતી લઈ તેમાં વસવાટ કર્યો હતો. એ પ્રદેશના જે બે રાજાઓને તેમણે હરાવ્યા તે આ પ્રમાણે છે: એક તો હેશ્બોનમાં રહીને રાજ કરતો અમોરી રાજા સિહોન હતો. તેના રાજ્યમાં અર્ધા ગિલ્યાદનો, એટલે, આર્નોનની ખીણને કિનારે આવેલ અરોએરથી એ ખીણની મધ્યમાં આવેલા શહેરમાં* થઈને છેક યાબ્બોક નદી એટલે આમ્મોનીઓની સરહદ સુધી સમાવેશ થતો હતો. એમાં અરાબાના પ્રદેશથી પૂર્વમાં ગાલીલ સરોવર અને ત્યાંથી દક્ષિણે મૃત સમુદ્રની પૂર્વ તરફ બેથ-યશીમોથ અને ત્યાંથી પિસ્ગા પર્વતના ઢોળાવની તળેટી સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. રફાઇઓના બાકી રહેલા રાજાઓમાંના બાશાનના રાજા ઓગને પણ તેમણે પરાજિત કર્યો. તે આશ્તારોથ તથા એડ્રેઈમાં રહીને રાજ કરતો હતો. તેના રાજ્યમાં હેર્મોન પર્વત, સાલખા અને છેક ગશૂર અને માઅખાની સરહદ સુધીનો સમગ્ર બાશાનનો પ્રદેશ તેમજ હેશ્બોનના રાજા સિહોનના રાજ્યની સરહદ સુધી અર્ધા ગિલ્યાદનો સમાવેશ થતો હતો. આ બન્‍ને રાજાઓને મોશે તથા ઇઝરાયલના લોકોએ હરાવ્યા. પ્રભુના સેવક મોશેએ એ રાજાઓનો પ્રદેશ રૂબેન અને ગાદનાં કુળોને તથા મનાશ્શાના અર્ધાકુળને વતન તરીકે આપ્યો હતો. યહોશુઆ અને ઇઝરાયલના લોકોએ લબાનોનની ખીણમાં આવેલા બઆલ- ગાદથી માંડીને સેઈર નજીકના હાલક પર્વત સુધી યર્દનની પશ્ર્વિમ કાંઠાના પ્રદેશના બધા રાજાઓને હરાવ્યા. યહોશુઆએ એ પ્રદેશની કુળવાર વહેંચણી કરીને તેમને તે કાયમી વતન તરીકે આપ્યો. એમાં પહાડીપ્રદેશ, પશ્ર્વિમનો તળેટીનો પ્રદેશ, અરાબાનો પ્રદેશ, પૂર્વના ઢોળાવનો પ્રદેશ અને દક્ષિણના સૂકા પ્રદેશનો સમાવેશ થતો હતો. એ પ્રદેશો હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓનું વતન હતું. ઇઝરાયલી લોકોએ નીચે જણાવેલ રાજાઓને હરાવ્યા: યરીખોનો રાજા, બેથેલ નજીકના આયનો રાજા, યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા, યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા, એગ્લોનનો રાજા, ગેઝેરનો રાજા, દબીરનો રાજા, ગેદેરનો રાજા. હોર્માનો રાજા, આરાદનો રાજા, લિબ્નાનો રાજા, અદુલ્લામનો રાજા, મારકેદાનો રાજા, બેથેલનો રાજા, તાપ્પુઆનો રાજા, હેફેરનો રાજા, એફેકનો રાજા, લાશારોનનો રાજા માદોનનો રાજા, હાસોરનો રાજા, શિમ્રોન મેરોનનો રાજા, આખ્સાફનો રાજા, તાઅનાખનો રાજા, મગિદ્દોનો રાજા, કેદેશનો રાજા, ર્કામેલમાં આવેલાં યોકનઆમનો રાજા, સમુદ્રકાંઠા પરના દોરનો રાજા. ગાલીલમાં આવેલા ગોઈમનો રાજા, અને તિર્સાનો રાજા - એ સર્વ મળીને એકત્રીસ રાજાઓને હરાવ્યા. યહોશુઆ હવે ઘણો વયોવૃદ્ધ થયો હતો. પ્રભુએ તેને કહ્યું, “તું ઘણો વૃદ્ધ થયો છે, પણ વતન તરીકે કબજે કરી લેવાનો હજી ઘણો પ્રદેશ બાકી રહ્યો છે. એ પ્રદેશ આ પ્રમાણે છે: પલિસ્તીયા અને ગશૂરનો પ્રદેશ, તેમ જ દક્ષિણમાં આવ્વીઓનો સમગ્ર પ્રદેશ. ઇજિપ્તની સરહદ પર આવેલા શિહોર વહેળાથી માંડીને ઉત્તરમાં છેક એક્રોન સુધીનો પ્રદેશ કનાનીઓનો ગણાતો. ગાઝા, આશ્દોદ, આશ્કલોન, ગાથ અને એક્રોનમાં પલિસ્તીઓના સરદારો રહેતા હતા. કનાનીઓનો આખો દેશ, અને સિદોનીઓનું માઆરા તથા અમોરીઓની સરહદે આવેલા એફેક સુધીનો પ્રદેશ; ગબાલીઓનો પ્રદેશ; આખો લબાનોન તથા પૂર્વમાં હેર્મોન પર્વતની દક્ષિણે બઆલ- ગાદથી હમાથના ઘાટ સુધીનો પ્રદેશ. એમાં લબાનોનના પર્વતો અને મિસ્રેફોથ-માઇમની વચ્ચે વસતા સિદોનીઓના સમગ્ર પહાડી- પ્રદેશનો સમાવેશ થાય છે. ઇઝરાયલના લોકો આગળ વધતા જાય તેમ તેમ હું એ બધા લોકોને હાંકી કાઢીશ. તારે તો મેં તને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓને એ પ્રદેશ વહેંચી આપવાનો છે. તો હવે બાકીનાં નવ કુળો તથા મનાશ્શાના અર્ધા કુળને તેમના કાયમી વતન તરીકે આ પ્રદેશ વહેંચી આપ.” રૂબેન તથા ગાદનાં કુળો તથા મનાશ્શાના બાકીના અર્ધા કુળને તો યર્દન નદીની પૂર્વ તરફના વિસ્તારમાં પ્રભુના સેવક મોશેએ તેમને આપ્યા મુજબનો પ્રદેશ મળી ચૂક્યો હતો. તેમના પ્રદેશનો વિસ્તાર આર્નોન ખીણને છેડે આવેલા અરોએર અને એ ખીણની મધ્યમાં આવેલા શહેર સુધીનો હતો અને એમાં મેદબાથી દીબોન સુધીના ઉચ્ચપ્રદેશનો સમાવેશ થતો હતો. તે છેક આમ્મોનીઓની સરહદ સુધી વિસ્તરેલો હતો અને અગાઉ હેશ્બોનમાં રહીને રાજ કરનાર સિહોન રાજાના શાસન હેઠળનાં બધાં નગરોનો એમાં સમાવેશ થઈ જતો હતો. એમાં ગિલ્યાદ, ગશૂર અને માઅખાના પ્રદેશો, સમગ્ર હેર્મોન પર્વત અને છેક સાલખા સુધીનો બાશાનનો પ્રદેશ હતો. આશ્તારોથ અને એડ્રેઈમાં રહીને રાજ કરનાર રફાઈઓના છેલ્લા રાજા ઓગના આખા રાજ્યનો તેમાં સમાવેશ થઈ જતો હતો. મોશેએ એ બધા લોકોને હરાવીને ત્યાંથી હાંકી કાઢયા હતા. છતાં ઇઝરાયલીઓએ ગશૂર અને માઅખાના લોકોને હાંકી કાઢયા નહિ, અને આજે પણ તેઓ ઇઝરાયલમાં રહે છે. મોશેએ લેવીકુળને કોઈ પ્રદેશ હિસ્સામાં આપ્યો નહિ. પ્રભુએ મોશેને કહ્યું હતું તેમ તેમને તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુની વેદી પર દહન કરવામાં આવતાં બલિદાનોમાંથી મળતો હિસ્સો એ જ તેમનો વારસો હતો. મોશેએ રૂબેનના કુળના વંશજોને તેમનાં ગોત્ર પ્રમાણે આપેલો પ્રદેશ આ છે. તેમનો પ્રદેશ આર્નોન ખીણને છેડે આવેલા અરોએર તથા તે ખીણની મધ્યમાં આવેલા શહેર સુધી વિસ્તરેલો હતો અને તેમાં મેદબાની આસપાસના સમસ્ત ઉચ્ચપ્રદેશનો સમાવેશ થતો હતો. વળી, તેમાં હેશ્બોન અને ઉચ્ચપ્રદેશમાં આવેલાં આ નગરોનો પણ સમાવેશ થઈ જતો હતો: દિબોન, બામોથ બઆલ, બેથ- બઆલમેઓન, યાહાશ, કદેમોથ, મેફાઆથ, કિર્યાથાઈમ, સિબ્બા, અને ખીણપ્રદેશના પર્વત પરનું સેરેથ શાહાર, પિસ્ગા પર્વતના ઢોળાવ પરનું બેથ-પયોર તથા બેથ-યશીમોથ; એમાં ઉચ્ચપ્રદેશનાં બધાં નગરોનો તેમજ હેશ્બોનમાં રહીને રાજ કરનાર અમોરી રાજા સિહોનના સમગ્ર રાજ્યનો સમાવેશ થતો હતો. મોશેએ તેને તથા મિદ્યાનમાં શાસન કરતા તેના ખંડિયા રાજાઓને, એટલે અવી, રેકેમ, ઝૂર, હૂર અને રેબાને હરાવ્યા હતા. ઇઝરાયલના લોકોએ જેમને માર્યા તેમાં બયોરનો પુત્ર ભવિષ્યવેત્તા બલઆમ પણ હતો. રૂબેનના કુળપ્રદેશની પશ્ર્વિમ તરફની સરહદ યર્દન નદીની હતી. રૂબેનકુળનાં ગોત્રોને વતન તરીકે અપાયેલાં શહેરો અને નગરો એ હતાં. મોશેએ ગાદના- કુળના વંશજોને તેમનાં ગોત્ર પ્રમાણે આપેલો પ્રદેશ આ છે. તેમના પ્રદેશમાં યાઝેર તથા ગિલ્યાદનાં સર્વ નગરો, રાબ્બાની સામે આવેલ છેક અરોએર સુધીનો આમ્મોનના અર્ધા દેશનો સમાવેશ થતો હતો. તેમના પ્રદેશની સરહદ હેશ્બોનથી રામાથ-મિસ્પેહ અને બરોનીમ સુધી અને માહનાઈમથી લો-દેબાર સુધીની હતી. યર્દનની ખીણમાં આવેલાં બેથ-હારામ, બેથ-નિમ્રા, સુક્કોથ તથા સાફોન એટલે, હેશ્બોનના રાજા સિહોનના બાકીના રાજ્યનો પણ તેમાં સમાવેશ થતો હતો. તેમની પશ્ર્વિમની સરહદ ઉત્તરમાં છેક ગાલીલ સરોવર સુધી યર્દન નદીની હતી. ગાદકુળનાં ગોત્રોને વતન તરીકે અપાયેલાં એ શહેરો અને નગરો હતાં. મોશેએ મનાશ્શાના અર્ધાકુળના વંશજોને તેમના ગોત્ર પ્રમાણે આપેલો પ્રદેશ આ છે. તેમના પ્રદેશની સરહદ માહનાઈમ સુધી પહોંચતી હતી અને તેમાં આખા બાશાનનો, એટલે તેના રાજા ઓગના આખા રાજ્યનો તેમજ બાશાનમાં આવેલા યાઈરનાં સાઠેય ગામોનો સમાવેશ થતો હતો. વળી, તેમાં અર્ધા ગિલ્યાદનો તેમજ બાશાનના રાજા ઓગનાં પાટનગર આશ્તારોથ અને એડ્રેઈનો સમાવેશ થતો હતો. એ પ્રદેશ મનાશ્શાના પુત્ર માખીરના અર્ધા ગોત્રને આપવામાં આવ્યો હતો. તેઓ મોઆબનાં મેદાનોમાં હતા ત્યારે યરીખો અને યર્દનની પૂર્વનો પ્રદેશ એ રીતે મોશેએ વહેંચી આપ્યો હતો. પણ મોશેએ લેવીઓને કોઈ પ્રદેશ ફાળવ્યો નહિ. તેણે તેમને કહ્યું હતું કે, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ એ જ તમારો હિસ્સો છે.” ઇઝરાયલી લોકોને યર્દનની પશ્ર્વિમ તરફ કનાન દેશમાં ફાળવી આપવામાં આવેલ વિસ્તારની હકીક્તો આ પ્રમાણે છે. યજ્ઞકાર એલાઝાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં ગોત્રના આગેવાનોએ લોકો વચ્ચે દેશ વહેંચી આપ્યો. પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે નવ કુળો અને અર્ધાકુળને યર્દનની પશ્ર્વિમ તરફનો વિસ્તાર પાસા નાખીને વહેંચવામાં આવ્યો. બાકીનાં બે કુળ અને એક અર્ધાકુળને તો મોશેએ યર્દનની પૂર્વ તરફનો વિસ્તાર અગાઉ ફાળવી દીધો હતો. હવે યોસેફના વંશજોનું બે કુળમાં, એટલે મનાશ્શા અને એફ્રાઈમમાં વિભાજન કરવામાં આવ્યું હતું. વળી, મોશેએ લેવીવંશજોને તો કોઈ પ્રદેશ ફાળવ્યો નહિ. એને બદલે, વસવાટ માટે તેમને નગરો આપવામાં આવ્યાં, અને તેમનાં ઢોરઢાંક અને ઘેટાંબકરાં માટે એ નગરોનાં ગોચરની જમીન આપવામાં આવી હતી. પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તેમ ઇઝરાયલી લોકોએ દેશ વહેંચી લીધો. એક દિવસે યહૂદાકુળના કેટલાક લોકો ગિલ્ગાલમાં યહોશુઆ પાસે આવ્યા. તેમનામાંથી કનિઝ્ઝી યફૂન્‍નેહના પુત્ર કાલેબે તેને કહ્યું, “ઈશ્વરભક્ત મોશેને પ્રભુએ કાદેશ-બાર્નિયામાં તારે અને મારે વિષે જે કહ્યું હતું તે તું જાણે છે. પ્રભુના સેવક મોશેએ મને આ દેશની બાતમી મેળવવા કાદેશ - બાર્નિયાથી મોકલ્યો ત્યારે હું ચાળીસ વર્ષનો હતો. હું તેની પાસે સાચી બાતમી લાવ્યો હતો. પણ મારી સાથે આવેલા માણસોએ લોકોને ગભરાવી મૂક્યા હતા. છતાં હું તો મારા ઈશ્વર પ્રભુને પૂરેપૂરી નિષ્ઠાથી આધીન થયો. મેં એવું કર્યું તેથી હું જ્યાં જ્યાં ફર્યો તે બધો પ્રદેશ હંમેશને માટે મને અને મારાં સંતાનોને હિસ્સામાં ચોક્કસ આપવામાં આવશે તેવું વચન મને મોશેએ આપ્યું હતું. પ્રભુએ મોશેને એ કહ્યું એને આજે પિસ્તાળીસ વર્ષ થઈ ગયાં. તે વખતે તો ઇઝરાયલ રણપ્રદેશમાં થઈને મુસાફરી કરતા હતા, અને પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે મને અત્યાર સુધી જીવતો રાખ્યો છે. હું પંચ્યાસી વર્ષનો થયો છું અને મોશેએ મને મોકલ્યો હતો ત્યારે હું જેટલો શક્તિશાળી હતો એટલો આજે પણ છું. આજે પણ મારામાં યુદ્ધમાં જવાની કે બીજાં કોઈપણ કામ કરવાની પૂરી તાક્ત છે. તો હવે મને આ ઉચ્ચપ્રદેશ કે જેના વિષે પ્રભુએ મને વચન આપ્યું હતું તે મને આપ. તે વખતે તને બાતમી આપવામાં આવી હતી કે ત્યાં મોટાં અને કોટવાળાં નગરોમાં કદાવર જાતિના અનાકી લોકો છે. પ્રભુ મારી સાથે રહેશે અને પ્રભુએ આપેલા વચન મુજબ હું તેમને ત્યાંથી હાંકી કાઢીશ.” યહોશુઆએ યફૂન્‍નેહના પુત્ર કાલેબને તેના હિસ્સામાં હેબ્રોન નગર આપી દીધું. આજે પણ તે નગર કનિઝ્ઝી યફૂન્‍નેહના પુત્ર કાલેબના વંશજોના હસ્તક જ છે; કારણ, કાલેબ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને પૂરી નિષ્ઠાથી આધીન થયો હતો. પહેલાં હેબ્રોન તો આર્બાનું નગર કહેવાતું હતું. (આર્બા તો અનાકીઓમાં સૌથી મહાન પુરુષ હતો.) હવે દેશમાં શાંતિ પ્રવર્તતી હતી. યહૂદાના કુળના વંશજોને ગોત્રવાર દેશનો જે ભાગ મળ્યો તે આ પ્રમાણે છે: એમના પ્રદેશની દક્ષિણ સરહદ સદોમની સરહદની નજીક સીનના રણપ્રદેશના દક્ષિણના સૌથી દૂરના છેડા સુધી પહોંચતી હતી. આ દક્ષિણની સરહદ મૃત સરોવરના દક્ષિણ છેડાથી દક્ષિણ તરફ આક્રાબીમના ઘાટમાં થઈને સીન તરફ જતી હતી. તે કાદેશ-બાર્નિયાની દક્ષિણથી શરૂ થઈ હેસ્રોન વટાવીને આદાર સુધી જઈને ર્ક્કા તરફ વળતી હતી. *** ત્યાંથી તે આસ્મોન સુધી પહોંચી ઇજિપ્તની સરહદે આવેલા વહેળાને માર્ગે ભૂમધ્ય સમુદ્ર સુધી ગઈ અને ત્યાં તે પૂરી થઈ. એ તો યહૂદાના કુળપ્રદેશની દક્ષિણ સરહદ હતી. પૂર્વ તરફની સરહદ મૃત સરોવરની હતી અને યર્દનનાં પાણી જ્યાં મૃત સરોવરમાં ઠલવાય છે ત્યાં તે પૂરી થતી હતી. ઉત્તર તરફની સરહદ પણ ત્યાં યર્દનના મુખથી શરૂ થતી હતી; ત્યાંથી તે બેથ-હોગ્લા સુધી પહોંચી અને ઉત્તર બાજુએ બેથ-અરાબા તરફ આગળ વધી અને ત્યાંથી રૂબેનના પુત્ર બોહાનની શિલા તરફ ગઈ. તે સીમા ત્યાંથી આખોરની ખીણમાં થઈને દબીર સુધી અને ઉત્તરમાં ગિલ્ગાલ તરફ વળી. જ્યાં તે ખીણની દક્ષિણ બાજુમાં આવેલા અદુમ્મીસના ઘાટ સામે છે. તે સીમા ત્યાંથી એન-શેમેશનાં ઝરણાં સુધી ગઈ અને એન-રોગેલ આગળ બહાર નીકળી. ત્યાંથી તે જ્યાં યબૂસીઓનું શહેર યરુશાલેમ આવેલું છે ત્યાં પર્વતની દક્ષિણ બાજુએ હિન્‍નોમની ખીણમાં થઈને પસાર થઈ. તે સીમા હિન્‍નોમની ખીણની પશ્ર્વિમ તરફ આવેલા પર્વતની ટોચે બહાર નીકળીને રફાઈઓની ખીણના ઉત્તર છેડા સુધી પહોંચી. ત્યાંથી તે નેફતોઆહનાં ઝરણાં સુધી જઈને એફ્રોન પર્વતનાં શહેરો પાસે નીકળી. ત્યાંથી તે બાઅલા (એટલે કિર્યાથ-યઆરીમ) તરફ વળી, જ્યાંથી તે બાઅલાની પશ્ર્વિમે ચકરાવો ખાઈને અદોમના પહાડીપ્રદેશ તરફ, અને ત્યાંથી યઆરીમની (એટલે ક્સાલોન) ઉત્તર બાજુએ ગઈ અને બેથ-શેમેશ સુધી નીચે ઊતરી અને તિમ્નાને બાજુ પર રાખી આગળ વધી. તે સીમા ત્યાંથી નીકળીને એક્રોનની ઉત્તરે આવેલા પર્વત સુધી પહોંચી, શિક્કેરોન તરફ વળાંક લઈ બાઅલા પર્વતની બાજુ પર થઈને આબ્નએલ તરફ ગઈ અને ભૂમધ્ય સમુદ્ર પાસે પૂરી થઈ. ભૂમધ્ય સમુદ્ર તેની પશ્ર્વિમની સરહદ હતો. યહૂદાના વંશજોને તેમના ગોત્ર પ્રમાણે જે પ્રદેશ મળ્યો તેની ચારે બાજુની એ સરહદ હતી. પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે યહૂદાના કુળપ્રદેશનો એક ભાગ યહૂદાના કુળના વંશજોમાં યફૂન્‍નેહના પુત્ર કાલેબને આપવામાં આવ્યો હતો. અનાકના પિતા આર્બાનું નગર હેબ્રોન તેને ભાગે આવ્યું હતું. કાલેબે અનાકના વંશજોમાંના શેશાય, અહિમાન અને તાલ્માય ગોત્રના લોકોને તે નગરમાંથી હાંકી કાઢયા. ત્યાંથી જઈને તેણે દબીરના રહેવાસીઓ પર હુમલો કર્યો. (દબીરને પહેલાં કિર્યાથ-સેફેર કહેતા હતા). કાલેબે કહ્યું, “કિર્યાથ સેફેર પર ચડાઈ કરી તેને જીતી લેનાર સાથે હું મારી પુત્રી આખ્સાનાં લગ્ન કરાવીશ.” કાલેબના ભાઈ કનાઝના પુત્ર ઓથ્નીએલે નગરને કબજે કર્યું, તેથી કાલેબે પોતાની પુત્રી આખ્સાનાં લગ્ન તેની સાથે કરાવ્યાં. લગ્નને દિવસે તેણે તેને તેના પિતા પાસેથી ખેતરની માગણી કરવા જણાવ્યું. તેથી તે ગધેડા પરથી ઊતરી પડી. તેથી કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?” તેણે જવાબ આપ્યો, “મારા પ્રત્યે મહેરબાની દાખવો; તમે મને નેગેબના સૂકા પ્રદેશમાં જમીન આપી છે તેથી મને પાણીનાં ઝરણાં પણ આપો.” તેથી કાલેબે તેને ઊંચાણનાં અને નીચાણનાં ઝરણાં આપ્યાં. યહૂદાના કુળના વંશજોને તેમનાં ગોત્ર પ્રમાણે મળેલો પ્રદેશ આ છે. અદોમની સરહદ નજીકના દક્ષિણના સૌથી છેવાડા ભાગમાં આવેલાં નગરો આ પ્રમાણે છે: કાબ્સએલ, એદેર, યાગૂર; કીના, દીમોના, અદાદા, કેદેશ, હાસોર, ઈથ્નાન, *** ઝીફ, ટેલેમ, બેઆલોથ; હાસોર-હદાત્તાહ, કરીયોથ હેસ્રોન (એટલે હાસોર); અમામ, શમા, મોલાદા, *** હસાર-ગાદ્દા, હેશ્મોન, બેથ-પેલેટ; હસાર-શૂઆબ, બેર-શેબા, બિઝયોથ્યા; બાઅલા, ઈયીમ, એસેમ; એલ્તોલાદ, ક્સીલ, હોર્મા; 31સિકલાગ, માદમાન્‍ના, સાન્સાન્‍ના; *** લબાઓથ, શિલ્હીમ, આયિન, રિમ્મોન. આ સર્વ નગરો તેમનાં ગામો સહિત એકંદરે ઓગણત્રીસ હતાં. તળેટીના પ્રદેશમાં એશ્તાઓલ, સોરા, આશ્ર્ના; ઝાનોઆ, એનગાન્‍નીમ, તાપ્પૂઆ, એનામ, યાર્મૂથ, અદુલ્લામ, સોખો, અઝેકા, શાઅરાઈમ, અદીથાઈમ, ગદેરા અને ગદરોથાઈમ; એ ચૌદ નગરો તેમનાં ગામો સહિત. સનાન, હદાશા, મિગ્દાલ-ગાદ; દિલઆન, મિસ્પેહ, યોક્તએલ; લાખી, બોસ્કાથ, એગ્લોન, કાબ્લોન, લાહમામ, કિથ્લીશ, ગદેરોથ, બેથ-દાગોન, નાઅમા, માક્કેદા; એ સોળ નગરો તેમનાં ગામ સહિત. લિબ્ના, એથેર, આશાન; યફતા, આશ્ર્ના, નેસીબ; કઈલા, આખ્ઝીબ મારેશા; એ નવ નગરો તેમનાં ગામ સહિત. એક્રોન પણ તેનાં નગરો અને ગામો સહિત હતું. વળી, એક્રોનથી ભૂમધ્ય સમુદ્ર સુધી આશ્દોદ નજીકનાં સર્વ નગરો તથા ગામો હતાં. ઇજિપ્તની સરહદ પરના વહેળા સુધી અને ભૂમધ્ય સમુદ્રના કિનારા સુધી આશ્દોદ તથા ગાઝા તેમજ તેમનાં નગરો તથા ગામો હતાં. પહાડી પ્રદેશમાં આવેલાં શામીર, યાત્તીર અને સોખો; દાન્‍ના અને કિર્યાથ-સાન્‍ના (એટલે દબીર); *** અનાલ, એશ્તમોહ, આનીમ; ગોશેન, હોલોન, ગીલોહ; એ અગિયાર નગરો તેમનાં ગામો સહિત. અરાબ, દૂમા, એશઆન; યાનીમ, બેથ-તાપ્પૂઆ અફેકા; હમ્ટા, કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન), સીઓર; એ નવ નગરો તેમનાં ગામો સહિત. માઓન, ર્કામેલ, ઝીફ અને યૂટ્ટા; યિભએલ, યોકદઆમ, ઝાનોઆ. કાઈન, ગિબયા અને તિમ્ના; એ દશ નગરો તેમનાં ગામો સહિત. હાલ્હૂલ, બેથ-શૂર, ગદોર માઅરાથ, બેથ-અનોથ, એલ્તકોન; એ છ નગરો તેમનાં ગામો સહિત. કિર્યાથ-બઆલ (એટલે કિર્યાથ- યઆરીમ) અને રાબ્બા; એ બે નગરો તેમનાં ગામો સહિત. રણપ્રદેશમાં બેથ-અરાબા, મિદ્યોન, સખાખા; નિબ્શાન, ક્ષાર-નગર અને એન-ગેદી; એ છ નગરો તેમનાં ગામો સહિત. પણ યહૂદાના વંશજો યરુશાલેમમાંથી ત્યાંના મૂળ રહેવાસીઓ યબૂસીઓને હાંકી કાઢી શક્યા નહિ; તેથી આજ સુધી યબૂસીઓ ત્યાં યહૂદાના વંશજો સાથે રહ્યા છે. યોસેફના વંશજોને ફાળવવામાં આવેલ પ્રદેશની દક્ષિણ સીમા યરીખોની નજીક યરીખોનાં ઝરણાંની પૂર્વ તરફ યર્દનથી શરૂ થતી હતી; ત્યાંથી તે રણપ્રદેશ તરફ ગઈ. તે સીમા આગળ વધીને છેક બેથેલ સુધી પહાડીપ્રદેશ તરફ ગઈ. ત્યાં બેથેલથી તે લુઝ સુધી ગઈ અને જ્યાં આર્કીઓ વસે છે ત્યાં અટારોથ-અદ્દાર સુધી પહોંચી. ત્યાંથી પછી તે પશ્ર્વિમ તરફ યાફલેટીઓના વિસ્તાર તરફ છેક બેથ-હોરોનના નીચાણના વિસ્તાર સુધી ગઈ. તે સીમા ત્યાંથી ગેઝેર સુધી પહોંચી અને ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થઈ. યોસેફના વંશજો એટલે એફ્રાઈમ અને પશ્ર્વિમ મનાશ્શાનાં કુળોને ભાગે એ પ્રદેશ આવ્યો. એફ્રાઈમ કુળનાં ગોત્રોને મળેલો પ્રદેશ આ પ્રમાણે હતો: તેમની સરહદ અટારોથ-અદ્દાર પૂર્વ તરફ ઉપલા બેથ-હેરોન સુધી જતી હતી, અને ત્યાંથી તે ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચતી. મિખ્મથાથ તેમની ઉત્તરે હતું. તેની પૂર્વ તરફ સરહદ વળીને તાઅનાથ-શીલો તરફ વળી અને તેને વટાવીને પૂર્વમાં યાનોઆ સુધી ગઈ. તે સીમા યાનોઆથી અટારોથ અને નાઆરા તરફ ઊતરી અને યરીખો સુધી પહોંચીને યર્દન આગળ પૂરી થઈ. પશ્ર્વિમ તરફની સરહદ તાપ્પૂઆથી કાનાના ઝરણા સુધી ગઈ અને ભૂમધ્ય સમુદ્રમાં પૂરી થઈ. એફ્રાઈમના કુળનાં ગોત્રોને તેમના હિસ્સા તરીકે મળેલો એ પ્રદેશ છે. વળી, મનાશ્શાનાં કુળપ્રદેશમાં આવેલાં કેટલાંક નગરો અને ગામો પણ એફ્રાઈમના વંશજોને મળ્યાં. છતાં તેઓ ગેઝેરમાં વસતા કનાનીઓને હાંકી કાઢી શક્યા નહિ; તેથી આજ દિન સુધી કનાનીઓ એફ્રાઈમના વંશજોની મધ્યે રહે છે; પણ તેમની પાસે વેઠિયા તરીકે કામ કરાવવામાં આવે છે. યોસેફના મોટા પુત્ર મનાશ્શાના વંશના કેટલાંક ગોત્રોને ફાળે યર્દનની પશ્ર્વિમે આ પ્રદેશ આવ્યો હતો. ગિલ્યાદનો પિતા માખીર મનાશ્શાનો જયેષ્ઠ પુત્ર હતો. તે શૂરવીર લડવૈયો હોવાથી તેને યર્દનની પૂર્વમાં ગિલ્યાદ અને બાશાન આપવામાં આવ્યાં હતાં. મનાશ્શાના બાકીના વંશજોને યર્દનની પશ્ર્વિમમાં તેમના ગોત્ર પ્રમાણે પ્રદેશની ફાળવણી થઈ: અબીએઝેર, હેલેક, આસીએલ, શેખેમ, હેફેર અને શમીદા; યોસેફના પુત્ર મનાશ્શાના એ વંશજો હતા અને તેઓ ગોત્રના વડા હતા. પણ મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના પુત્ર હેફરના પુત્ર સલોફહાદને એકેય પુત્ર નહોતો, પણ માત્ર પુત્રીઓ હતી. તેમનાં નામ આ પ્રમાણે છે: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા અને તિર્સા. તેમણે યજ્ઞકાર એલાઝાર, નૂનના પુત્ર યહોશુઆ તથા આગેવાનો પાસે જઈને કહ્યું હતું, “પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી કે અમારા સંબંધીઓમાં પુરુષોની સાથે સાથે અમને પણ પ્રદેશમાં હિસ્સો આપવો.” તેથી પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે તેમને પણ તેમના સંબંધીઓમાં પુરુષોની સાથે સાથે પ્રદેશ ફાળવી આપવામાં આવ્યો. આમ, યર્દનની પૂર્વ તરફ આવેલા ગિલ્યાદ અને બાશાન ઉપરાંત મનાશ્શાને દસ હિસ્સા મળ્યા; કારણ, તેમના સ્ત્રીવંશજોને પણ પુરુષવંશજોની સાથે સાથે પ્રદેશની ફાળવણી કરવામાં આવી. ગિલ્યાદનો પ્રદેશ મનાશ્શાના બાકીના વંશજોને ફાળવી દેવામાં આવ્યો હતો. મનાશ્શાના પ્રદેશની સરહદ આશેરથી શરૂ થઈ. શખેમની પૂર્વમાં મિખ્મથાથ સુધી પહોંચી. ત્યાંથી તે સીમા દક્ષિણ તરફ જઈને એન-તાપ્પૂઆની વસ્તીને આવરી લેતી હતી. તાપ્પૂઆની આસપાસનો પ્રદેશ તો મનાશ્શાનો હતો, પણ સરહદ પર આવેલું તાપ્પૂઆ નગર એફ્રાઈમના વંશજોનું હતું. પછી એ સરહદ કાનાના ઝરણા સુધી નીચે ગઈ. ઝરણાની દક્ષિણમાં આવેલાં નગરો મનાશ્શાના પ્રદેશમાં હોવા છતાં એફ્રાઈમની હસ્તક હતાં. મનાશ્શાની સરહદ ઝરણાને માર્ગે ઉત્તર તરફ આગળ વધી અને ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થઈ. એફ્રાઈમનો કુળપ્રદેશ દક્ષિણમાં હતો અને મનાશ્શાનો કુળપ્રદેશ ઉત્તરમાં હતો; ભૂમધ્ય સમુદ્ર તે બન્‍નેની પશ્ર્વિમની સરહદ હતી. આશેરનો કુળપ્રદેશ વાયવ્યમાં અને ઇસ્સાખારનો કુળપ્રદેશ ઇશાનમાં હતો. ઇસ્સાખાર અને આશેરના કુળપ્રદેશોમાં મનાશ્શાની હસ્તક બેથ-શેઆન તથા યિબ્લઆમ અને તેમની આસપાસનાં ગામ તેમ જ દરિયાકિનારે આવેલું દોર, એનદોર, તાઅનાખ, મગિદ્દો અને એમની આસપાસના વસવાટો હતા. પણ મનાશ્શાના વંશજો એ શહેરોમાંથી ત્યાંના રહેવાસીઓને કાઢી મૂકી શક્યા નહિ; તેથી ત્યાં કનાનીઓનો વસવાટ ચાલુ રહ્યો. ઇઝરાયલીઓ પ્રબળ બન્યા ત્યારે પણ તેમણે કનાનીઓને હાંકી કાઢયા નહિ, પણ તેમણે તેમની પાસે વેઠ કરાવી. યોસેફના વંશજોએ યહોશુઆને કહ્યું, “પ્રભુએ અમને આજ દિન સુધી આશિષ આપી છે અને તેથી અમારી વસ્તી ઘણી થઈ છે; તેમ છતાં તેં અમને એક જ હિસ્સો - એક જ પ્રદેશ આપ્યો છે.” યહોશુઆએ જવાબ આપ્યો, “તમારી વસ્તી વધારે હોય અને એફ્રાઈમનો પહાડીપ્રદેશ તમને નાનો પડતો હોય તો જંગલમાં જાઓ અને ત્યાં પરિઝ્ઝીઓ અને રફાઈઓની જમીનમાં વૃક્ષો કાપી નાખીને તમારે માટે જગા કરો.” તેમણે જવાબ આપ્યો, “પહાડીપ્રદેશ અમારે માટે પૂરતો નથી અને બેથ-શેઆન તથા તેની આસપાસનાં ગામો તેમજ યિભએલના ખીણપ્રદેશનાં મેદાનોમાં વસતા કનાનીઓ પાસે લોખંડના રથો છે.” યહોશુઆએ યોસેફના વંશજો એટલે એફ્રાઈમ તથા પશ્ર્વિમ મનાશ્શાના લોકોને કહ્યું, “તમારી વસ્તી ઘણી છે અને તમે ઘણા શક્તિશાળી પણ છો. તમને એક કરતાં વધારે ભાગ મળશે. પહાડી પ્રદેશ તમારો થશે. જો કે તેમાં જંગલ છે તો પણ તમે તેનાં વૃક્ષો કાપીને એક છેડાથી બીજા છેડા સુધી તેનો કબજો મેળવશો. વળી, કનાનીઓ પાસે લોખંડના રથો છે અને તેઓ બળવાન છે તોપણ તમે તેમને ત્યાંથી હાંકી કાઢી શકશો.” ઇઝરાયલીઓનો આખો સમાજ શીલોમાં એકત્ર થયો અને ત્યાં તેમણે મુલાકાતમંડપ ઊભો કર્યો. આમ તો આખો દેશ તેમના તાબામાં આવી ગયો હતો; પણ પ્રદેશની ફાળવણી કર્યા સિવાયનાં ઇઝરાયલી લોકોનાં સાત કુળ બાકી હતાં. તેથી યહોશુઆએ ઇઝરાયલી લોકોને કહ્યું, “તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ તમને આપેલ આ દેશનો કબજો લેવામાં હજી તમે ક્યાં સુધી રાહ જોશો? તમારા પ્રત્યેક કુળમાંથી ત્રણ ત્રણ માણસો મારી પાસે લાવો. હું તેમને આખા દેશમાં જઈને મોજણી કરવા અને પ્રત્યેક કુળ કયા પ્રદેશમાં વસવાટ કરશે તેનું વિગતવાર વર્ણન લખી લાવવા મોકલીશ. તે પછી તેઓ મારી પાસે પાછા આવે. તેમની વચ્ચે દેશના સાત ભાગ પાડવામાં આવશે; યહૂદા તો દક્ષિણમાંના પોતાના પ્રદેશમાં જ રહેશે, અને યોસેફ ઉત્તરમાંના પોતાના પ્રદેશમાં રહેશે. એ સાત વિભાગનું મારી પાસે વર્ણન લખી લાવો. પછી હું પાસા નાખીને તમારે માટે આપણા ઈશ્વર પ્રભુની સલાહ મેળવીશ. છતાં લેવીવંશજોને બાકી રહેલાં કુળો સાથે જમીનનો હિસ્સો મળશે નહિ; કારણ, પ્રભુના યજ્ઞકાર તરીકે સેવા કરવી એ જ તેમનો હિસ્સો છે. વળી, ગાદ, રૂબેન અને પૂર્વ મનાશ્શાનાં કુળોને તો યર્દનની પૂર્વ તરફ પ્રદેશ મળી ગયો છે. પ્રભુના સેવક મોશેએ તેમને એ પ્રદેશ આપ્યો હતો.” એ માણસો દેશની મોજણી કરી તેનું વર્ણન લખી લાવવા ગયા તે પહેલાં યહોશુઆએ તેમને આવી સૂચનાઓ આપી: “સમગ્ર દેશમાં જાઓ, અને તેનું વર્ણન લખી લાવીને મારી પાસે પાછા આવો. પછી અહીં શીલોમાં હું તમારે માટે પાસા નાખીને પ્રભુની સલાહ મેળવીશ.” પછી એ માણસો આખા દેશમાં ફરી વળ્યા અને દેશને સાત ભાગમાં વહેંચી દઈ નગરોની યાદી સહિતનું વર્ણન પુસ્તકમાં લખી નાખ્યું. પછી તેઓ શીલોની છાવણીમાં યહોશુઆ પાસે ગયા. યહોશુઆએ તેમને માટે પાસાં નાખીને પ્રભુની સલાહ પૂછી અને ઇઝરાયલનાં બાકી રહેલાં કુળોમાંથી પ્રત્યેક કુળને દેશનો અમુક ભાગ ફાળવી આપ્યો. સૌ પ્રથમ પાસા નાખતાં બિન્યામીનના કુળના ગોત્રનો હિસ્સો નક્કી થયો. તેમનો પ્રદેશ યહૂદા અને યોસેફના કુળપ્રદેશો વચ્ચે આવેલો હતો. ઉત્તર બાજુએ તેમની સરહદ યર્દનથી શરૂ થતી હતી. ત્યાંથી તે યરીખોની ઉત્તર તરફના ઢોળાવ તરફ ગઈ અને પશ્ર્વિમ તરફ પહાડી પ્રદેશમાં થઈને છેક બેથ હાવેનના રણપ્રદેશ સુધી પહોંચી. તે સીમા ત્યાંથી આગળ વધીને લૂઝ(એટલે બેથેલ)ની દક્ષિણ તરફના ઢોળાવ તરફ અને પછી તે નીચલા બેથ-હેરોનની દક્ષિણે આવેલા પર્વત પર છેક અટારોથ-અદ્દાર સુધી નીચે ઊતરી. તે સીમા ત્યાંથી દિશા બદલીને એ પર્વતની પશ્ર્વિમ બાજુમાં દક્ષિણેથી વળીને યહૂદાના કુળપ્રદેશમાં આવેલા કિર્યાથ-બઆલ (એટલે કિર્યાથ યઆરીમ) સુધી ગઈ. એ તો પશ્ર્વિમ તરફની સરહદ હતી. દક્ષિણ તરફની સરહદ કિર્યાથ-યઆરીમના છેડાથી શરૂ થઈ. પશ્ર્વિમ તરફ નેફતોઆનાં ઝરણાં સુધી ગઈ. ત્યાંથી તે હિન્‍નોમની ખીણ સામે આવેલા પર્વતની તળેટી સુધી રફાઈમની ખીણના ઉત્તર છેડા સુધી પહોંચી. પછી તે સરહદ દક્ષિણ તરફ હિન્‍નોમની ખીણમાં થઈને યબૂસી-કરાડની દક્ષિણે એન-રોગેલ સુધી ગઈ. ત્યાંથી તે ઉત્તર તરફ વળીને એન-શેમેશ અને પછી અદુમ્મીના ઘાટની સામે ગલીલોથ સુધી ગઈ. તે સરહદ ત્યાંથી ‘બોહાનની શિલા’ સુધી નીચે ઊતરી. (બોહાન તો રૂબેનનો પુત્ર હતો.) પછી તે યર્દનની ખીણની સામેની પર્વતીય હારમાળામાં થઈને પસાર થઈ. તે ત્યાંથી ખીણપ્રદેશ સુધી નીચે ઊતરી, અને બેથ-હોગ્લાની હારમાળાની ઉત્તરે પસાર થઈ અને મૃત સમુદ્રની ઉત્તરની ખાડી, જ્યાં યર્દનનું મુખ આવેલું છે ત્યાં પૂરી થઈ. એ તો દક્ષિણ તરફની સરહદ હતી. યર્દન તેમની પૂર્વની સરહદ હતી. બિન્યામીનના કુળનાં ગોત્રોને વસવાટ માટે મળેલા પ્રદેશની એ સરહદો હતી. બિન્યામીનના કુળનાં ગોત્રો હસ્તકનાં નગરો આ પ્રમાણે હતાં: યરીખો, બેથ-હોગ્લા, એમેક-ક્સીસ, બેથ- અરાબા, સમારાઈમ, બેથેલ, આવ્વીમ, પારા, ઓફ્રા, કફાર-આમ્મોની, ઓફની, અને ગેબા. એ બધાં આજુબાજુનાં ગામ સહિત બાર નગરો હતાં. વળી, આ નગરો પણ હતાં: ગિબ્યોન, સમા, બએરોથ, મિસ્પા, કફીરા, મોસા, રેકેમ, યિર્પએલ, તારીઅલા, સેલા, હાલેફ, યબૂસ (એટલે યરુશાલેમ), ગિબ્યા, અને કિર્યાથ-યઆરીમ. આજુબાજુનાં તેમનાં ગામ સહિત એ ચૌદ નગરો હતાં. બિન્યામીનના કુળના ગોત્રોને વસવાટ માટે મળેલો એ પ્રદેશ છે. ફાળવણીમાં બીજો પાસો શિમયોનના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. તેમનો વિસ્તાર યહૂદાના કુળપ્રદેશની વચમાં હતો. તેમાં આ નગરોનો સમાવેશ થતો હતો: બેરશેબા, શેબા, મોલાદા, હસાર-શૂઆલ, બાલા, એસેમ, એલ્તોલાદ, બથૂલ, હોર્મા, સિકલાગ, બેથ-મર્કાબોથ, હસાર-સૂસા, બેથ-લબાઓથ, અને શારૂહેન. આસપાસનાં ગામો સહિતનાં એ તેર નગરો હતાં. વળી, આયિન, રિમ્મોન, એથેર અને આશાન એ ચાર નગરો પણ તેમનાં ગામો સહિત હતાં. દક્ષિણે છેક બાઆલાથ-બેર (એટલે રામા) સુધી એ નગરોની આસપાસનાં ગામોનો એમાં સમાવેશ થતો હતો. શિમયોનના કુળનાં ગોત્રોને વસવાટ કરવા માટે મળેલો એ પ્રદેશ હતો. યહૂદાના કુળને ફાળવાયેલો પ્રદેશ જરૂર કરતાં વધુ મોટો હોઈ, એમાંનો કેટલોક ભાગ શિમયોનના કુળને આપવામાં આવ્યો. ફાળવણીમાં ત્રીજો પાસો ઝબુલૂનના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. તેમને મળેલો પ્રદેશ છેક સારીદ સુધી હતો. ત્યાંથી તેમની સીમા પશ્ર્વિમ તરફ માસલા સુધી ગઈ અને દાબ્બેશેથની નજીક થઈને યોકનીમની પૂર્વમાં આવેલા ઝરણાં સુધી પહોંચી. સારીદની બીજી તરફ એ સીમા પૂર્વમાં કિસ્લોથ-તાબોર, ત્યાંથી દાબરાથ અને આગળ યાફિયા સુધી પહોંચી. તે પૂર્વમાં આગળ વધતાં વધતાં ગાથહેફેર અને એથ-કાસીન ગઈ અને ત્યાંથી નેઆહની દિશામાં રિમ્મોન તરફ ગઈ. એ સીમા ઉત્તર ભાગમાં વળાંક લઈને હાન્‍નાથોન પહોંચી અને યફતાએલની ખીણ આગળ પૂરી થઈ. તેમાં કાટ્ટાથ, નાહાલાલ, શિમ્રોન અને બેથલેહેમ હતાં. તે પ્રદેશમાં આસપાસનાં ગામો સહિતનાં બાર નગરો હતાં. ઝબુલૂનના કુળનાં ગોત્રોને વસવાટ કરવા માટે મળેલા એ પ્રદેશમાં એ નગરો અને એ ગામો હતાં. ફાળવણીમાં ચોથો પાસો ઇસ્સાખારના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. એમના વિસ્તારમાં યિભએલ, કસુલ્લોથ, શૂનેમ, હફારાઈમ, શીઓન, અનાહરાથ, રાબ્બીથ કિશ્યોન, એલેસ, રેમેથ, એન-ગાન્‍નીમ, એન-હાદ્દા અને બેથ-પાસ્સેસ નગરો હતાં. એમની સીમા તાબોર, શાહસુમા અને બેથશેમેશને અડકીને યર્દન નદી આગળ પૂરી થઈ. એમાં આસપાસનાં ગામો સહિતનાં સોળ નગરો હતાં. ઇસ્સાખારના કુળનાં ગોત્રોને વસવાટ કરવા માટે મળેલાં એ પ્રદેશમાં એ નગરો અને ગામો હતાં. ફાળવણીમાં પાંચમો પાસો આશેરના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. તેમની સરહદમાં હેલ્કાથ, હલી, બેટેન, આખ્શાફ, અલ્લામ્મેલેખ, આમઆદ અને મિશઆલનો સમાવેશ થતો હતો. પશ્ર્વિમ તરફ તે સરહદ ર્કામેલ અને શિહોર-લિબ્નાથ સુધી પહોંચી. તે સરહદ પૂર્વ તરફ ફંટાઈને બેથ-દાગોન ગઈ અને ઝબુલૂન તથા યફતાએલની ખીણને સ્પર્શીને ઉત્તરમાં બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી. આગળ વધીને તે ઉત્તર તરફ કાબૂલ, એબ્રોન, રહોબ, હામ્મોન, કાની અને છેક સિદોન સુધી પહોંચી. તે પછી તે સરહદ રામા તરફ વળીને તૂરનાં કિલ્લેબંધીવાળાં નગરો તરફ ગઈ; અને ત્યાંથી હોસા તરફ વળીને ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થઈ. તેમાં મહાલેબ, આખ્મીબ, ઉમ્મા, એફેક અને રહોબ હતાં. તેમાં બાવીસ નગરો તેમની આસપાસનાં ગામો સહિત હતાં. આશેરના કુળનાં ગોત્રોને વસવાટ માટે મળેલા પ્રદેશમાં એ નગરો અને ગામો હતાં. ફાળવણીમાં છઠ્ઠો પાસો નાફતાલીના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. તેની સરહદ હેલેફથી શરૂ થઈને સાઅનાન્‍નીમમાં આવેલાં એલોન વૃક્ષ સુધી ગઈ. ત્યાંથી આગળ વધીને અદામી-નેકેબ, યાબ્નએલ અને છેક લાક્કૂમ સુધી પહોંચી અને ત્યાંથી યર્દન આગળ તે પૂરી થઈ. ત્યાંથી પશ્ર્વિમ તરફની સરહદ આમનોથ-તાબોર સુધી, ત્યાંથી આગળ વધીને હુક્કોક સુધી પહોંચી અને દક્ષિણમાં ઝબુલૂન, પશ્ર્વિમમાં આશેર અને પૂર્વમાં યર્દન નદીને* સ્પર્શી. તેમાં કોટવાળાં નગરો આ પ્રમાણે હતાં: સિટ્ટીમ, સેર, હામ્માથ, રાક્કાથ, ક્ધિનેરેથ, આદમા, રામા, હાસોર, કેદેશ, એડ્રેઈ, એન-હાસોર, યિરસોન, મિગ્દાલએલ, હોરેમ, બેથ-અનાથ, બેથ-શેમેથ. આસપાસનાં ગામો સહિત ઓગણીસ નગરો તેમાં હતાં. નાફતાલીના કુળનાં ગોત્રોને વસવાટ માટે મળેલા પ્રદેશમાં એ નગરો અને ગામો હતાં. ફાળવણીમાં સાતમો પાસો દાનના કુળનાં ગોત્રો માટે નીકળ્યો. તેમના પ્રદેશમાં આ નગરો હતાં: શોરા, એશ્તાઓ, ઈર-શેમેશ, શાઅલાબ્બીન, આયાલોન, યિથ્લા, એલોન, તિમ્ના, એક્રોન, એલ્તકેહ, ગિબ્બથોન, બાઅલાથ, યહૂદ, બનીબરાક, ગાથ- રિમ્મોન, મેઆર્કોન, રાક્કોન તેમજ જોપ્પાની આસપાસનો વિસ્તાર. દાનના કુળના વંશજો તેમનો પ્રદેશ ગુમાવી બેઠા ત્યારે તેમણે લાઈશ જઈને તેના પર હુમલો કર્યો. તેમણે તે નગરને કબજે કરી ત્યાંના લોકોને મારી નાખ્યા અને તે નગરને પોતાનું વતન કરી લઈ તેમાં વસ્યા. પોતાના પૂર્વજ દાનના નામ પરથી તેમણે તે નગરનું નામ દાન પાડયું. દાનના કુળનાં ગોત્રોને વસવાટ માટે મળેલા પ્રદેશમાં એ નગરો અને ગામો હતાં. ઇઝરાયલી લોકો દેશની સીમાવાર ફાળવણી કરી રહ્યા એટલે તેમણે નૂનના પુત્ર યહોશુઆને દેશનો કેટલોક ભાગ તેના પોતાના વસવાટ માટે ફાળવી આપ્યો. પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે તેની માગણી મુજબનું નગર એટલે, એફ્રાઈમના પહાડીપ્રદેશમાં તિમ્નાથ-સેરા આપ્યું. યહોશુઆએ તે નગરને ફરીથી બાંધ્યું અને ત્યાં તેમાં વસવાટ કર્યો. એલાઝાર યજ્ઞકાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં ગોત્રોના આગેવાનોએ શીલોમાં મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ પાસા નાખવા દ્વારા પ્રભુની સલાહ મેળવીને દેશના વિવિધ ભાગોની ફાળવણી કરી. આમ, તેમણે દેશની વહેંચણી કરી લીધી. પછી પ્રભુએ યહોશુઆને કહ્યું, “ઇઝરાયલીઓ સાથે વાત કરીને તેમને આમ કહે: ‘મેં મોશે દ્વારા તમને કહ્યું હતું તેમ હવે આશ્રયનગરો પસંદ કરો. *** કોઈ માણસ કોઈકને ભૂલથી કે અજાણતાં મારી નાખે તો તે માણસ એ નગરોમાં જતો રહે અને ખૂનનું વેર લેનાર માણસથી એ રીતે બચી જાય. ખૂની આવા કોઈએક નગરમાં નાસી જાય અને નગરના પ્રવેશદ્વારે ન્યાય કરવાની જગ્યાએ જઈને ત્યાંના આગેવાનોને જે કંઈ બન્યું હોય તેની સ્પષ્ટતા કરે. તે પછી તેઓ તેને નગરમાં પ્રવેશવા દે અને તેને વસવાટનું સ્થાન આપે, જેથી પેલો માણસ ત્યાં રહી શકે. વેર લેનાર માણસ તેનો પીછો કરીને ત્યાં નગરમાં આવે, તો નગરના માણસોએ પેલા ખૂની માણસને સોંપી દેવો નહિ. તેઓ તેનું રક્ષણ કરે, કારણ, તેણે માણસને જાણીબૂઝીને કે ગુસ્સાથી માર્યો નથી. ખૂની માણસ તેનો જાહેરમાં ન્યાય ન થાય ત્યાં સુધી અને તે સમયે જે માણસ મુખ્ય યજ્ઞકાર હોય તે મરણ પામે ત્યાં સુધી એ નગરમાં જ રહે. તે પછી તે જ્યાંથી નાસી છૂટયો હતો ત્યાં પોતાને ઘેર પાછો જાય.” તેથી તેમણે યર્દનની પશ્ર્વિમ તરફ નાફતાલીના પહાડીપ્રદેશમાં ગાલીલમાં આવેલા કેદેશને, એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલા શેખેમને અને યહૂદિયાના પહાડીપ્રદેશમાં આવેલા હેબ્રોનને તે માટે અલગ કર્યાં. યર્દનની પૂર્વ તરફ યરીખોની પૂર્વ તરફના રણપ્રદેશના મેદાનમાં તેમણે રૂબેનના કુળપ્રદેશમાં આવેલા બેસેરને, ગાદના કુળપ્રદેશમાં આવેલા ગિલ્યાદમાંના રામોથને અને મનાશ્શાના કુળપ્રદેશમાં આવેલા બાશાનમાંના ગોલાનને પસંદ કર્યા. સમસ્ત ઇઝરાયલી લોકો અને તેમની વચમાં વસતા પરદેશીઓ માટે તે આ શ્રયનગરો પસંદ કર્યાં. કોઈ માણસ ભૂલથી કે અજાણતાથી કોઈને મારી નાખે તો ખૂનનું વેર લેનાર વ્યક્તિથી તે ત્યાં નાસી જઈને રક્ષણ પામી શકે; જ્યાં સુધી તેનો જાહેરમાં ન્યાય ન થાય ત્યાં સુધી તે માર્યો જાય નહિ. લેવી વંશના કુટુંબોના આગેવાનો યજ્ઞકાર એલાઝાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં કુટુંબોના આગેવાનો પાસે ગયા. કનાન દેશના શીલોમાં તેમણે તેમને કહ્યું, “પ્રભુએ મોશે દ્વારા એવી આજ્ઞા ફરમાવી હતી કે અમારા વસવાટ માટે અમને નગરો તેમ જ અમારાં ઢોર માટે એ નગરોની આસપાસનાં ગોચર આપવાં.” તેથી પ્રભુની આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ પોતાના કુળપ્રદેશોમાંથી કેટલાંક નગરો તથા તેમનાં ગોચર આપ્યાં. નગરોની ફાળવણીમાં પ્રથમ પાસો લેવીવંશમાં કહાથના ગોત્રનાં કુટુંબો માટે નીકળ્યો. આરોન યજ્ઞકારના વંશના કુટુંબોને યહૂદા, શિમયોન અને બિન્યામીનના કુળપ્રદેશોમાંથી તેર નગરો ફાળવવામાં આવ્યાં. કહાથના બાકીના ગોત્ર માટે એફ્રાઈમ, દાન અને પશ્ર્વિમ-મનાશ્શાના કુળપ્રદેશોમાંથી દસ નગરો ફાળવવામાં આવ્યાં. ગેર્શોમના ગોત્રને ઇસ્સાખાર, આશેર, નાફતાલી અને પૂર્વ મનાશ્શાના કુળપ્રદેશોમાંથી તેર નગરો ફાળવવામાં આવ્યાં. મરારી ગોત્રનાં કુટુંબોને રૂબેન, ગાદ અને ઝબુલૂનના કુળપ્રદેશોમાંથી બાર નગરો ફાળવવામાં આવ્યાં. ઇઝરાયલી લોકોએ પાસા નાખીને પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા અનુસાર એ નગરો અને તેમનાં ગોચર ફાળવ્યાં. યહૂદા અને શિમયોનના કુળપ્રદેશોમાંથી આપવામાં આવેલાં નગરોનાં નામ અહીં આપ્યાં છે. એ નગરો લેવીવંશમાંના કહાથના ગોત્રમાં આરોનના વંશજોને આપવામાં આવ્યાં; કારણ, નગરોની ફાળવણીમાં પ્રથમ પાસો તેમનો નીકળ્યો હતો. તેમને યહૂદિયાના પહાડીપ્રદેશમાં આવેલ કિર્યાથ-આર્બા (આર્બા તો અનાકનો પિતા હતો), જે હાલ હેબ્રોન કહેવાય છે તે તેની આસપાસનાં ગૌચર સહિત આપવામાં આવ્યું. જો કે એ નગરમાં ખેતરો અને તેનાં ગામો તો અગાઉ યફૂન્‍નેહના પુત્ર કાલેબને તેના વસવાટ માટે આપી દેવાયાં હતાં. હેબ્રોન, જે ખૂની માટેનું એક આશ્રયનગર હતું તેનાં ઉપરાંત આરોન યજ્ઞકારના વંશજોને બીજાં આ નગરો ફાળવવામાં આવ્યાં: લિબ્ના, યાત્તિર, એશ્તેમોઆ, હોલોન, દબીર, આયિન, યૂટ્ટા અને બેથ-શેમેશ. યહૂદિયા અને શિમયોનના કુળપ્રદેશોમાંથી એ નવ નગરો તેમનાં ગોચર સહિત ફાળવવામાં આવ્યાં. બિન્યામીનના કુળપ્રદેશમાંથી તેમને નગરોનાં ગોચર સહિત ચાર નગરો આપવામાં આવ્યાં: ગિબ્યોન, ગેબા, અનાથોથ અને આલ્મોન. આરોનવંશી યજ્ઞકારોને બધાં મળીને તેર નગરો તેમનાં ગોચર સહિત આપવામાં આવ્યાં. લેવીવંશના કહાથ ગોત્રના અન્ય કુટુંબોને કેટલાંક નગરો એફ્રાઈમના કુળપ્રદેશમાંથી આપવામાં આવ્યાં. તેમને ચાર નગરો આપવામાં આવ્યાં: એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવેલું શખેમ (આશ્રય નગરોમાંનું એક) તેના ગોચર સહિત, ગેમેર, કિબ્સાઈમ, અને બેથ-હોરોન તેમનાં ગૌચર સહિત. દાનના કુળપ્રદેશમાંથી તેમને ચાર નગરો આપવામાં આવ્યાં: એલ્તકે, ગિબ્નથોન, આયાલોન, અને ગાથ-રિમ્મોન તેમનાં ગૌચર સહિત. પશ્ર્વિમ મનાશ્શાના કુળપ્રદેશમાંથી તેમને બે નગરો આપવામાં આવ્યાં: તાઅનાખ અને ગાથ-રિમ્મોન તેમનાં ગોચર સહિત. કહાથના ગોત્રનાં કુટુંબોને બધાં મળીને દશ નગરો તેમનાં ગૌચર સહિત મળ્યાં. લેવીવંશના ગેર્શોન ગોત્રને પૂર્વ મનાશ્શામાંથી બે નગરો મળ્યાં: બાશાનમાંનું ગોલાન (આશ્રય નગરોમાંનું એક) અને બએશ્તરા તેમનાં ગોચર સહિત. ઇસ્સાખારના કુળપ્રદેશમાંથી તેમને ચાર નગરો મળ્યાં: કિશોન, દાબરાથ, યાર્મૂથ અને એન-ગાન્‍નીમ તેમનાં ગોચર સહિત. આશેરના કુળપ્રદેશમાંથી તેમને ચાર નગરો મળ્યાં: મિશાલ, આબ્દોન, હેલ્કાથ અને રહોબ તેમનાં ગોચર સહિત. નાફતાલીના કુળપ્રદેશમાંથી તેમને ત્રણ નગરો મળ્યાં: ગાલીલમાં આવેલું કેદેશ (આશ્રય નગરોમાંનું એક) તેના ગોચર સહિત, હામ્મોથ-દોર, અને ર્ક્તાન તેમનાં ગોચર સહિત. ગેર્શોનના ગોત્રનાં વિવિધ કુટુંબોને બધાં મળીને તેર નગરો તેમનાં ગોચર સહિત મળ્યાં. લેવીના વંશના બાકીનાને એટલે મરારી ગોત્રને ઝબુલૂનના કુળપ્રદેશમાંથી ચાર નગરો મળ્યાં: યોકનઆમ, ર્ક્તા, દિમ્ના અને નાહતા તેમનાં ગોચર સહિત. તેમને રૂબેનના કુળપ્રદેશમાંથી ચાર નગરો મળ્યા: બેસેર, યાહાઝ, કદેમોથ અને મેફાઆથ તેમનાં ગોચર સહિત. ગાદના કુળપ્રદેશમાંથી તેમને ચાર નગરો મળ્યાં: ગિલ્યાદમાંનું રામોથ (આશ્રયનગરોમાંનું એક) તેનાં ગોચર સહિત, મારનાઈમ, હેશ્બોન અને યામેર તેમનાં ગોચર સહિત. આમ, મરારી ગોત્રને એકંદરે બાર નગરો ફાળવવામાં આવ્યાં. ઇઝરાયલી લોકોએ સંપાદન કરેલા પ્રદેશમાંથી લેવીઓને એકંદરે અડતાલીસ નગરો તેમનાં ગોચર સહિત આપવામાં આવ્યાં. પ્રત્યેક નગરની આસપાસ ગોચર, એમ બધાં નગરો ગોચર સહિતનાં હતાં. આમ, ઇઝરાયલીઓના પૂર્વજોને પ્રભુએ આપેલા શપથપૂર્વકના વચન પ્રમાણે તેમણે તેમને આખો દેશ આપ્યો. તેમણે તેનો કબજો મેળવ્યો એટલે તેમાં વસવાટ કર્યો. તેમના પૂર્વજોને પ્રભુએ આપેલા વચન મુજબ તેમણે તેમને આખા દેશમાં શાંતિ આપી. તેમનો કોઈ શત્રુ તેમની સામે ટક્કર ઝીલી શક્યો નહિ; કારણ, પ્રભુએ ઇઝરાયલીઓને તેમના સર્વ શત્રુઓ પર વિજય પમાડયો. પ્રભુએ ઇઝરાયલના વંશજોને જે સર્વ સારાં વચનો આપ્યાં હતાં તેમાંનું એકેય નિરર્થક નીવડયું નહિ; પણ બધાં પરિપૂર્ણ થયાં. પછી યહોશુઆએ રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના લોકોને એકત્ર કર્યા. તેણે તેમને કહ્યું, “પ્રભુના સેવક મોશેએ તમને આપેલી બધી આજ્ઞાઓનું તમે પૂરું પાલન કર્યું છે; તમે મારી આજ્ઞાઓનું પણ અક્ષરસ: પાલન કર્યું છે. આ બધા સમય દરમ્યાન તમે ક્યારેય તમારા સાથી ઇઝરાયલીઓને તજી દીધા નથી. પણ તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે તમે કાળજીપૂર્વક તમારી ફરજ બજાવી છે. હવે તમારા ઈશ્વર પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે તમારા સાથી ઇઝરાયલીઓને વિશ્રામદાયક વસવાટ આપ્યો છે. તો હવે તમે પ્રભુના સેવક મોશેએ યર્દનના પૂર્વ ભાગમાં તમને આપેલા તમારા પોતાના વસવાટના પ્રદેશમાં તમારે ઘેર પાછા જાઓ. પણ પ્રભુના સેવક મોશેએ તમને ફરમાવેલ નિયમનું પાલન કરવામાં ચીવટ દાખવજો: તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ કરો, તેમની ઇચ્છા અનુસાર વર્તો, તેમની આજ્ઞાઓ પાળો, તેમને વફાદાર રહો અને તમારા પૂરા દિલથી અને પૂરા જીવથી તેમની સેવા કરો.” યહોશુઆએ તેમને આશિષ આપીને તેમને ઘેર વિદાય કર્યા અને તે વખતે તેણે તેમને આ વચનો કહ્યાં, “તમે બહુ સમૃદ્ધ થઈને એટલે પુષ્કળ ઢોરઢાંક, રૂપું, સોનું, તાંબુ, લોખંડ અને વસ્ત્રોનો મોટો ભંડાર લઈને તમારે ઘેર જાઓ છો. તો તમારા શત્રુઓ પાસેથી મેળવેલી લૂંટમાંથી તમારા કુળના સાથીબધુંઓને પણ આપજો.” પછી તેઓ પોતપોતાને ઘેર જવા વિદાય થયા. મનાશ્શાના અર્ધાકુળને યર્દનની પૂર્વ તરફ મોશેએ પ્રદેશ આપ્યો હતો; પણ તેના બાકીના અર્ધાકુળને યહોશુઆએ અન્ય કુળોની સાથે સાથે યર્દનની પશ્ર્વિમ તરફ પ્રદેશ આપ્યો હતો. *** *** આમ, રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના કુળના લોકો પોતાને ઘેર પાછા ગયા. કનાન દેશના શીલોમાં બાકીના ઇઝરાયલી લોકોની તેમણે વિદાય લીધી અને મોશે દ્વારા પ્રભુએ તેમને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે કબજે કરેલા ગિલ્યાદ પ્રદેશમાં એટલે પોતાના વસવાટના પ્રદેશમાં જવા ઉપડયા. રૂબેન, ગાદ અને પૂર્વ-મનાશ્શાનાં કુળો યર્દનની પાસે ગલીલોથ આવ્યા ત્યારે ત્યાં તેમણે નદીકિનારે એક ગંજાવર વેદી બાંધી. ઇઝરાયલના બાકીના લોકોને ખબર પડી કે રૂબેન, ગાદ અને પૂર્વ- મનાશ્શાનાં કુળોના લોકોએ યર્દનની આપણી બાજુના પ્રદેશમાં ગલીલોથ આગળ વેદી બાંધી છે. ઇઝરાયલી લોકોએ જ્યારે એ સાંભળ્યું ત્યારે શીલોમાં આખો સમાજ પૂર્વ તરફનાં કુળો સામે યુદ્ધ કરવા એકઠો થયો. પછી ઇઝરાયલી લોકોએ એલાઝાર યજ્ઞકારના પુત્ર ફિનહાસને રૂબેન, ગાદ અને પૂર્વ-મનાશ્શાનાં કુળોના લોકો પાસે ગિલ્યાદ પ્રાંતમાં મોકલ્યો. પશ્ર્વિમ તરફનાં કુળોમાંથી પ્રત્યેક કુળ દીઠ એક એમ દસ અગ્રગણ્ય માણસોને ફિનહાસ સાથે મોકલવામાં આવ્યા; તેમાંનો પ્રત્યેક માણસ પોતાના ગોત્રમાં કુટુંબનો વડો હતો. તેઓ ગિલ્યાદમાં રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના લોકો પાસે ગયા, અને પ્રભુના સમસ્ત સમાજ તરફથી તેમને કહ્યું, “તમે ઇઝરાયલના ઈશ્વર વિરુદ્ધ આવો અપરાધ કેમ કર્યો છે? તમારે માટે આ વેદી બાંધીને તમે તેમની સામે વિદ્રોહ કર્યો છે! તમે પ્રભુને અનુસરવાનું મૂકી દીધું છે! પયોર આગળ આપણા પાપને લીધે પ્રભુએ પોતાના લોકોને રોગચાળો મોકલીને શિક્ષા કરી હતી તે યાદ કરો. હજી આજે પણ આપણે એ દોષથી મુક્ત થયા નથી. શું એ પાપ પૂરતું નહોતું? તમે હવે પ્રભુને અનુસરવાનો નકાર કરશો? તમે આજે પ્રભુ વિરુદ્ધ બંડ કરો છો અને આવતીકાલે તે સમસ્ત ઇઝરાયલી સમાજ પર કોપાયમાન થશે. તેથી હવે તમારો પ્રદેશ પ્રભુની આરાધના માટે યથાયોગ્ય ન હોય તો અહીં જ્યાં પ્રભુનો મુલાકાતમંડપ છે ત્યાં આ તરફ પ્રભુના દેશમાં આવતા રહો અને અમારી સાથે વસવાટ કરો. પણ તમે પ્રભુનો વિદ્રોહ ન કરશો અને પ્રભુની વેદી ઉપરાંત અન્ય વેદી બાંધીને અમને તમારા વિદ્રોહમાં ન સંડોવશો. નાશ કરવા માટે અર્પિત થયેલી વસ્તુઓની બાબતમાં ઝેરાનો પુત્ર આખાન આધીન ન થયો અને એને લીધે ઇઝરાયલના આખા સમાજને શિક્ષા થઈ હતી તે યાદ કરો. આખાનના પાપને લીધે એ એકલો જ કંઈ માર્યો ગયો નહોતો.” રૂબેન, ગાદ અને મનાશ્શાનાં કુળના લોકોએ પશ્ર્વિમ તરફનાં કુળોનાં ગોત્રોના આગેવાનોને જવાબ આપ્યો: “પરમેશ્વર, પ્રભુ પરમેશ્વર, અમે એવું શા માટે કર્યું તે બહુ સારી રીતે જાણે છે અને તમે, સમસ્ત ઇઝરાયલ પણ એ જાણો એવું અમે ઈચ્છીએ છીએ. જો અમે પ્રભુ સામે વિદ્રોહ કર્યો હોય અને તેમને વફાદાર રહ્યા ન હોઈએ તો તમે અમને જીવતા રહેવા દેશો નહિ. જો અમે પ્રભુ પ્રત્યેની અમારી વફાદારીનો ત્યાગ કર્યો હોય અને દહનબલિ ચડાવવા અથવા ધાન્યઅર્પણો કે સંગતબલિ ચડાવવા અમે અમારી પોતાની વેદી બાંધી હોય તો પ્રભુ પોતે અમને શિક્ષા કરો. હકીક્તમાં, અમે એટલા માટે એવું કર્યું છે કે ભવિષ્યમાં કદાચ તમારા વંશજો અમારા વંશજોને આવું કહે: ‘ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સાથે તમારે શું લાગેવળગે છે? પ્રભુએ અમારી અને તમારી એટલે રૂબેન તથા ગાદના લોકો વચ્ચે યર્દનની સરહદ કરાવી છે. તમારે પ્રભુ સાથે કંઈ સંબંધ નથી.’ આમ, તમારા વંશજો અમારા વંશજોને પ્રભુનું ભજન કરતા અટકાવી દે. તેથી અમે એકબીજાને કહ્યું, ‘આપણે આ વેદી બાંધીએ; દહનબલિ કે અર્પણો ચડાવવા નહિ. પણ અમારા લોકો અને તમારા લોકો વચ્ચે અને હવે પછીના આપણા વંશજો માટે એ સાક્ષીનું પ્રમાણચિહ્ન બની રહે કે મુલાકાતમંડપમાં દહનબલિ, અન્ય બલિદાનો અને સંગતબલિ ચડાવી પ્રભુનું ભજન કરવાનો અમને પણ હક્ક છે.’ અમારે પ્રભુ સાથે કંઈ સંબંધ નથી એવું તમારા વંશજો ન કહી શકે માટે અમે એ કર્યું છે. વળી, અમે વિચાર્યુ કે કદાચ અમને કે અમારા વંશજોને એવું થાય તો અમે આમ કહી શકીએ: ‘દહનબલિ કે અન્ય બલિદાનો ચડાવવાં નહિ, પણ અમારી અને તમારી વચ્ચે સાક્ષીનું પ્રમાણચિહ્ન થવા અમારા પૂર્વજોએ બાંધેલી આ વેદીની રચના જુઓ!’ અમે પ્રભુની વિરુદ્ધ કદી વિદ્રોહ કરવાના નથી અથવા દહનબલિ, ધાન્યઅર્પણો અથવા અન્ય બલિદાનો ચડાવવા વેદી બાંધીને અમે પ્રભુ પ્રત્યેની અમારી વફાદારીનો ત્યાગ કરવાના નથી. મુલાકાતમંડપમાં આવેલી વેદીને બદલે અમે અમારા ઈશ્વર પ્રભુને માટે અન્ય કોઈ વેદી બાંધવાના નથી.” ફિનહાસ યજ્ઞકાર અને તેની સાથે ગયેલા ઇઝરાયલી સમાજના આગેવાનો, એટલે પશ્ર્વિમ તરફનાં કુળોના ગોત્રોના વડાપુરુષો રૂબેન, ગાદ અને પૂર્વ- મનાશ્શાનાં કુળોનાં લોકોનો ખુલાસો સાંભળીને સંતોષ પામ્યા. એલાઝાર યજ્ઞકારના પુત્ર ફિનહાસે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના લોકોને કહ્યું, “હવે અમને ખાતરી થાય છે કે પ્રભુ આપણી સાથે છે. તમે તેમની વિરુદ્ધ વિદ્રોહ કર્યો ન હોઈ, તમે ઇઝરાયલી લોકોને પ્રભુની શિક્ષાથી બચાવી લીધા છે.” પછી ફિનહાસ અને આગેવાનોએ રૂબેન અને ગાદનાં કુળોની ગિલ્યાદમાંથી વિદાય લીધી અને કનાનમાં પાછા આવીને ઇઝરાયલી લોકોને એ જવાબ જણાવ્યો. ઇઝરાયલીઓને એથી સંતોષ થયો અને તેમણે ઈશ્વરની સ્તુતિ કરી. તે પછી તેમણે રૂબેન અને ગાદના વસવાટના પ્રદેશને ખેદાનમેદાન કરી નાખવા ચડાઈ કરવાની વાત કરી નહિ. રૂબેન અને ગાદના વંશજોએ કહ્યું, “આ વેદી આપણ સૌને માટે પ્રભુ જ ઈશ્વર છે તેની સાક્ષીરૂપ છે.” તેથી તેમણે તેનું નામ ‘સાક્ષી’ પાડયું.” પ્રભુએ ઇઝરાયલને તેમની આસપાસના તેમના સર્વ શત્રુઓથી સહીસલામતી આપી. તે પછી ઘણો સમય વીતી ગયો. દરમ્યાનમાં યહોશુઆ ઘણો વયોવૃદ્ધ થયો હતો. તેથી તેણે સર્વ ઇઝરાયલને તથા તેમના વડીલો, આગેવાનો, ન્યાયાધીશો અને અધિકારીઓને બોલાવીને તેમને કહ્યું, “હું હવે ઘણો વયોવૃદ્ધ થયો છું. તમારે લીધે તમારા ઈશ્વર પ્રભુએ આ બધી પ્રજાઓની શી દશા કરી છે તે બધું તમે જાતે જોયું છે. તમારા ઈશ્વર પ્રભુએ તમારે પક્ષે રહીને યુદ્ધ કર્યુ હતું. દેશમાં બાકી રહી ગયેલી પ્રજાઓ તથા જે પ્રજાઓને મેં જીતી લીધી તેમનો, પૂર્વમાં યર્દનથી માંડીને પશ્ર્વિમે ભૂમધ્ય સમુદ્ર સુધીનો સમગ્ર પ્રદેશ મેં તમારાં કુળોને વસવાટ માટે ફાળવી આપ્યો છે. તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારી આગળ પીછેહઠ કરાવશે અને તમે આગળ વધતા રહો તેમ તેમ તેમને હાંકી કાઢશે. તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા વચન પ્રમાણે તમે તેમનો પ્રદેશ સંપાદન કરી શકશો. તેથી મોશેના નિયમશાસ્ત્રમાં જે જે લખેલું છે તે બધું પાળવાને અને તે પ્રમાણે કરવાને કાળજી રાખો; તેમાંથી લેશમાત્ર ચલિત થશો નહિ. વળી, તમારી વચમાં બાકી રહી ગયેલી આ પ્રજાઓ સાથે સંબંધ બાંધશો નહિ, તેમનાં દેવોનાં નામોનો ઉચ્ચાર સરખો કરશો નહિ. એ નામો લઈને શપથ ખાશો નહિ અને તેમના દેવોને ભજશો નહિ કે તેમની આગળ નમન કરશો નહિ. એને બદલે, તમે આજ સુધી રહ્યા છો તેમ યાહવેને વફાદાર રહો. તમે દેશમાં આગળ વધતા ગયા તેમ તેમ પ્રભુએ મહાન અને શક્તિશાળી પ્રજાઓને હાંકી કાઢી છે અને કોઈ તમારી સામે ટક્કર ઝીલી શકાયું નથી. તમને આપેલા વચન પ્રમાણે પ્રભુ પોતે તમારે માટે લડતા હોવાથી તમારામાંથી એક માણસ હજાર માણસોને નસાડતો. તેથી તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવામાં ખંત દાખવો. પણ તમે વફાદાર ન રહેતાં તમારી વચમાં બાકી રહી ગયેલી પ્રજાઓ સાથે હળીમળી જશો અને તેમની સાથે લગ્નસંબંધ બાંધશો તો તમારા ઈશ્વર પ્રભુ આ બાકીની પ્રજાઓને હાંકી કાઢશે નહિ. એ પ્રજાઓ તમારે માટે ફાંદા કે ખાડા સમાન જોખમકારક અને તમારી પીઠ પર ચાબૂક અથવા આંખમાં કાંટા સમાન દર્દજનક બની રહેશે; એટલે સુધી કે તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા આ દેશમાં તમારામાંનો કોઈ બાકી રહેવા પામશે નહિ. “હવે મારા મરણનો સમય નજીક આવતો જાય છે. તમે સૌ તમારા મનમાં અને અંતરમાં સમજો છો કે તમારા ઈશ્વર પ્રભુએ તમને વચન આપ્યું તે પ્રમાણે તમને સર્વ સારી વસ્તુઓ આપી છે. તેમણે આપેલાં સર્વ વચનો પરિપૂર્ણ થયાં છે અને એમાંનું એકેય નિરર્થક નીવડયું નથી. પણ જેમ તેમણે તમને આપેલાં બધાં વચનો પાળ્યાં તેમ તેમણે તમને આપેલી બધી ચેતવણીઓનો પણ તે અમલ કરશે. તમારા ઈશ્વર પ્રભુએ તમને ફરમાવેલ કરારનું તમે પાલન નહિ કરો અને અન્ય દેવોની સેવાભક્તિ કરશો તો તે તમારા પર કોપાયમાન થઈને તમને સજા કરશે અને તેમણે તમને આપેલા આ સારા દેશમાં તમારામાંનો કોઈ બાકી રહેવા પામશે નહિ!” યહોશુઆએ ઇઝરાયલનાં બધાં કુળોને શખેમમાં એકત્ર કર્યાં. તેણે તેમના વડીલોને, આગેવાનોને, ન્યાયાધીશોને અને અધિકારીઓને બોલાવ્યા અને તેઓ સૌ ઈશ્વરની સમક્ષ હાજર થયા. યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ કહે છે: ‘ઘણાં વર્ષો પહેલાં તમારા પૂર્વજો યુફ્રેટિસ નદીની પેલી તરફ વસતા હતા અને અન્ય દેવોની પૂજા કરતા હતા. એવા પૂર્વજોમાં અબ્રાહામ અને નાહોરનો પિતા તેરા હતો. પછી હું તમારા પૂર્વજ અબ્રાહામને નદીની પેલી તરફના દેશમાંથી કાઢી લાવ્યો અને મેં તેને આખા કનાન દેશમાં ફેરવ્યો. મેં તેને ઘણા વંશજો આપ્યા. મેં તેને ઇસ્હાક આપ્યો, અને ઇસ્હાકને મેં યાકોબ અને એસાવ આપ્યા. મેં એસાવને તેના વસવાટ માટે અદોમનો પહાડીપ્રદેશ આપ્યો, પણ તમારો પૂર્વજ યાકોબ અને તેના વંશજો તો ઇજિપ્તમાં ગયા. પછી મેં મોશે તથા આરોનને મોકલ્યા અને ઇજિપ્ત પર હું મોટી આફત લાવ્યો, પણ તમને તો હું બહાર કાઢી લાવ્યો. હું તમારા પૂર્વજોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો અને ઇજિપ્તીઓએ રથો અને અશ્વદળ લઈને તેમનો પીછો કર્યો. પણ તમારા પૂર્વજો સૂફ સમુદ્ર પાસે આવ્યા ત્યારે તેમણે મને મદદને માટે પોકાર કર્યો, અને મેં તેમની અને ઇજિપ્તીઓની વચમાં અંધકાર મૂકી દીધો. ઇજિપ્તીઓ પર સમુદ્રનાં પાણી ફેરવી વાળી મેં તેમને ડૂબાડી દીધા. મેં ઇજિપ્તીઓની શી દશા કરી તે તમે જાણો છો. ‘તમે લાંબો સમય રણપ્રદેશમાં રહ્યા. પછી હું તમને યર્દનની પૂર્વ તરફ વસતા અમોરીઓના દેશમાં લાવ્યો. તેમણે તમારી સામે યુદ્ધ કર્યું, પણ મેં તમને તેમના પર વિજય પમાડયો. તમે તેમનો પ્રદેશ કબજે કરી લીધો અને તમારી આગળ મેં તેમનો સંહાર કર્યો. પછી મોઆબનો રાજા, એટલે સિપ્પોરનો પુત્ર બાલાક તમારી વિરુદ્ધ લડયો. તેણે બયોરના પુત્ર બલઆમને સંદેશો મોકલી બોલાવ્યો અને તમને શાપ દેવા જણાવ્યું. પણ મેં બલઆમનું સાંભળ્યું નહિ. તેથી તેણે તમને આશિષ આપી અને એમ તમને બાલાકના હાથમાંથી છોડાવ્યા. તમે યર્દન ઓળંગીને યરીખો આવ્યા. યરીખોના માણસોએ અને એ જ પ્રમાણે અમોરી, પરિઝ્ઝી, કનાની, હિત્તી, ગિર્ગાશી, હિવ્વી અને યબૂસી એ બધાએ તમારી સામે લડાઈ કરી. અમોરીઓના બે રાજાઓને મેં ભમરીઓ મોકલીને હાંકી કાઢયા હતા. એ કંઈ તમારી તલવારો કે ધનુષ્યથી થયું નહોતું. તમે જેમાં શ્રમ કર્યો નહોતો એ ભૂમિ મેં તમને આપી અને તમે બાંધ્યાં નહોતાં એ નગરો પણ આપ્યાં. હવે તમે ત્યાં વસો છો. વળી, તમે રોપ્યા નહોતા તેવા દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને તમે રોપ્યા નહોતાં તેવા ઓલિવવૃક્ષનાં ફળ તમે ખાઓ છો.” પછી યહોશુઆએ પોતાનું વક્તવ્ય ચાલુ રાખતાં કહ્યું. “તો હવે યાહવેને માન આપો અને નિખાલસપણે અને નિષ્ઠાપૂર્વક તેમની સેવા કરો. મેસોપોટેમિયા અને ઇજિપ્તમાં તમારા પૂર્વજો જે અન્ય દેવોની પૂજા કરતા હતા તેમનો ત્યાગ કરો અને માત્ર યાહવેની જ સેવાભક્તિ કરો. પણ જો તમે પ્રભુની સેવાભક્તિ કરવા ન માગતા હો તો આજે નક્કી કરો કે તમે કોની સેવા કરશો: મેસોપોટેમિયામાં તમારા પૂર્વજો જેમની પૂજા કરતા હતા તેમની સેવા કરશો કે જેમના દેશમાં તમે અત્યારે રહો છો તે અમોરીઓના દેવોની સેવા કરશો? જો કે હું અને મારું કુટુંબ તો અમે પ્રભુની સેવા કરીશું.” લોકોએ જવાબ આપ્યો, “અમે પ્રભુનો ત્યાગ કરીને અન્ય દેવોની સેવા કરીએ એવું ન થાઓ. આપણા ઈશ્વર પ્રભુ અમારા પિતૃઓને અને અમને ઈજિપ્તની ગુલામગીરીમાંથી છોડાવી લાવ્યા અને અમે તેમનાં ચમત્કારિક કાર્યો જોયાં છે. અમે જે પ્રજાઓના દેશમાં થઈને મુસાફરી કરી તેમાં તેમણે અમારું રક્ષણ કર્યું. આ દેશમાં અમે આગળ વયા તેમ તેમ અહીં રહેતા સર્વ અમોરી લોકોને પ્રભુએ હાંકી કાઢયા. તેથી અમે પણ પ્રભુની જ સેવા કરીશુ; તે જ અમારા ઈશ્વર છે.” યહોશુઆએ લોકોને કહ્યું, “પણ તમે કદાચ પ્રભુની સેવા નહિ કરી શકો. તે તો પવિત્ર ઈશ્વર છે અને તમારાં પાપની ક્ષમા નહિ આપે; કારણ, તે પોતાના કોઈ પ્રતિસ્પર્ધીને સાંખી લેતા નથી. અને તમે તેમનો ત્યાગ કરીને અન્ય દેવોની સેવા કરશો તો તે તમારી વિરુદ્ધ થઈ જશે અને તમને શિક્ષા કરશે. તે તમારા પ્રત્યે અગાઉ ભલા થયા હોવા છતાં તે તમારો નાશ કરશે.” લોકોએ યહોશુઆને કહ્યું, “ના, એવું નહિ થાય; અમે તો પ્રભુની જ સેવા કરીશું.” યહોશુઆએ તેને કહ્યું, “પ્રભુની સેવા કરવાની પસંદગી તમે જાતે જ કરી છે એના સાક્ષી તમે પોતે જ છો.” તેમણે કહ્યું, “હા, અમે સાક્ષી છીએ.” તેથી તેણે કહ્યું, “તો પછી તમારી પાસેના વિદેશી દેવો દૂર કરો અને ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પ્રત્યેની તમારી વફાદારી જાળવી રાખવા પ્રતિજ્ઞા કરો.” ત્યારે લોકોએ યહોશુઆને કહ્યું, “અમે આપણા ઈશ્વર પ્રભુની સેવા કરીશું અને તેમની આજ્ઞાઓ પાળીશું.” તેથી તે દિવસે યહોશુઆએ લોકો સાથે કરાર કર્યો અને ત્યાં શખેમમાં તેણે તેમને કાયદાઓ અને નિયમો આપ્યા. યહોશુઆએ એ બધું ઈશ્વરના નિયમના પુસ્તકમાં લખી લીધું. પછી તેણે એક મોટો પથ્થર લઈને તેને પ્રભુના પવિત્રસ્થાનમાં આવેલા મસ્તગી વૃક્ષ પાસે મૂક્યો. તેણે સર્વ લોકોને કહ્યું, “આ પથ્થર આપણો સાક્ષી છે. પ્રભુ આપણી સાથે જે વચનો બોલ્યા તે બધાં તેણે સાંભળ્યા છે. તેથી તે તમારી વિરુદ્ધ સાક્ષી બનશે, જેથી તે તમને તમારા ઈશ્વર વિરુદ્ધ બંડ કરતાં રોકે.” પછી યહોશુઆએ લોકોને વિદાય કર્યા, અને સૌ કોઈ પોતપોતાના વસવાટના પ્રદેશમાં પાછા ગયા. એ બનાવો પછી નૂનનો પુત્ર, પ્રભુનો સેવક યહોશુઆ, એક્સો દસ વર્ષનો થઈને અવસાન પામ્યો. તેમણે તેને એફ્રાઈમના પહાડી પ્રદેશના તિમ્નાથ સેરામાં ગાઆશ પર્વતની ઉત્તરે આવેલા તેના પોતાના પ્રદેશમાં દફનાવ્યો. યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી ઇઝરાયલી લોકોએ પ્રભુની સેવા કરી અને તેના અવસાન પછી પણ ઇઝરાયલને માટે પ્રભુએ કરેલાં સર્વ કાર્યો જોનાર આગેવાનો જીવ્યા ત્યાં સુધી તેમણે પ્રભુની સેવા કરવાનું ચાલુ રાખ્યું. ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી યોસેફનાં અસ્થિ લઈ આવ્યા હતા. તેમણે તે અસ્થિ, શખેમમાં યાકોબે શખેમના પિતા હમોર પાસેથી ચાંદીના સો સિક્કા આપીને ખરીદ કરેલા ભૂમિના ટુકડામાં દફનાવ્યા. એ ભૂમિ તો યોસેફના વંશજોને વારસામાં મળી હતી. આરોનનો પુત્ર એલાઝાર મરણ પામ્યો અને તેના પુત્ર ફિનહાસને એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આપવામાં આવેલા નગર ગિબ્યામાં તેને દફનાવવામાં આવ્યો. હવે યહોશુઆના મરણ પછી ઇઝરાયલી લોકોએ પ્રભુને પૂછયું, “અમારામાંથી કયું કુળ જઈને કનાનીઓ પર પ્રથમ હુમલો કરે?” પ્રભુએ જવાબ આપ્યો, “યહૂદાનું કુળ જઈને પ્રથમ હુમલો કરે. મેં દેશ તેમને તાબે કરી દીધો છે.” યહૂદાના લોકોએ શિમયોનના લોકોને કહ્યું, “અમને ફાળવવામાં આવેલા પ્રદેશમાં તમે અમારી સાથે આવો, અને આપણે સાથે મળીને કનાનીઓ સામે લડીશું. પછી તમને ફાળવેલા પ્રદેશ માટે અમે તમારી સાથે આવીશું. આમ, શિમયોનના લોકો તેમની સાથે ગયા. પછી યહૂદાના કુળે હુમલો કર્યો. પ્રભુએ તેમને કનાનીઓ અને પરિઝઝીઓ પર વિજય પમાડયો અને તેમણે બેઝેકમાં દસ હજાર માણસોને હરાવ્યા. બેઝેકમાં તેમને અદોની-બેઝેકનો ભેટો થઈ ગયો અને તેઓ તેની સાથે લડયા. અદોની-બેઝેક નાસી છૂટયો, પણ તેમણે તેને પકડી પાડયો અને તેના હાથપગના અંગૂઠા કાપી નાખ્યા. અદોનીબેઝેકે કહ્યું, “હાથપગના અંગૂઠા કાપી નાખ્યા હોય તેવા સિત્તેર રાજાઓ મારા મેજ નીચે પડેલા ખોરાકના ટુકડા વીણી ખાતા હતા. જેવું મેં તેમને કર્યું હતું તેવું જ ઈશ્વરે મને કર્યું છે.” તેને યરુશાલેમ લઈ જવામાં આવ્યો, જ્યાં તે મૃત્યુ પામ્યો. યહૂદાના માણસોએ યરુશાલેમ પર હુમલો કરી તેને જીતી લીધું. તેમણે ત્યાંના લોકોમાં ક્તલ ચલાવી અને શહેરને આગ ચાંપી. તે પછી તેમણે પહાડીપ્રદેશ, તળેટીનો પ્રદેશ તથા દક્ષિણે આવેલા સૂકાપ્રદેશમાં વસતા કનાનીઓ સામે યુદ્ધ કર્યું. તેમણે હેબ્રોનમાં (જે અગાઉ કિર્યાથ આર્બા કહેવાતું હતું) વસતા કનાનીઓ પર ચડાઈ કરી. ત્યાં તેમણે શેશાય, અહિમાન અને તાલ્માયનાં ગોત્રોને હરાવ્યાં. યહૂદાના માણસોએ ત્યાંથી આગળ વધીને દબીર નગર પર ચડાઈ કરી. અગાઉ તે નગર કિર્યાથ સેફેર કહેવાતું હતું. કાલેબે માણસોને કહ્યું, “કિર્યાથ સેફેર પર ચડાઈ કરી તેને જીતી લેનાર સાથે હું મારી પુત્રી આખ્સાનાં લગ્ન કરાવીશ.” કાલેબના નાના ભાઈ કનાઝના પુત્ર ઓથ્નીએલે તે નગરને જીતી લીધું, એટલે કાલેબે પોતાની પુત્રી આખ્સાનાં લગ્ન તેની સાથે કરાવ્યાં. લગ્નના દિવસે તેણે તેના પિતા પાસેથી ખેતર માગવા ચડવણી કરી. જ્યારે તે ગધેડા પરથી ઊતરી પડી ત્યારે કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?” તેણે જવાબ આપ્યો, “મારા પર મહેરબાની દાખવો; તમે મને નેગેબના સૂકા પ્રદેશમાં જમીન આપી છે. તેથી મને પાણીનાં ઝરણાં પણ આપો.” તેથી કાલેબે તેને ઉપલાણનાં અને નીચાણનાં ઝરણાં આપ્યાં. કેનીઓ એટલે મોશેના સસરાના વંશજો ખજૂરીઓના નગર યરીખોમાંથી યહૂદાના લોકો સાથે અરાદની દક્ષિણ તરફ આવેલા યહૂદિયાના વેરાનપ્રદેશમાં ગયા અને ત્યાંના લોકો સાથે વસ્યા. યહૂદાના લોકો શિમયોનના લોકો સાથે ગયા અને તેમણે સાથે મળીને સફાથમાં વસતા કનાનીઓને હરાવ્યા. તેમણે નાશ માટે અર્પિત નગર તરીકે તેનો પૂરો નાશ કર્યો અને તેનું નામ હોર્મા ચવિનાશૃ પાડયું. યહૂદાના માણસોએ ગાઝા, આશ્કલોન અને એક્રોન તથા તેમની આસપાસના સીમા-પ્રદેશોને જીતી લીધા. પ્રભુ યહૂદાના માણસોની સાથે હતા અને તેથી તેમણે પહાડીપ્રદેશનો કબજો મેળવી લીધો. પણ તેઓ ખીણપ્રદેશના મેદાનોમાં વસતા લોકોને હાંકી કાઢી શક્યા નહિ. કારણ, તેમની પાસે લોખંડના રથો હતા. મોશેના ફરમાન પ્રમાણે હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું હતું. કાલેબે તે નગરમાંથી અનાકના વંશમાં ઊતરી આવેલા ત્રણ ગોત્રોને હાંકી કાઢયાં હતાં. પણ બિન્યામીનના કુળના લોકોએ યરુશાલેમમાં વસતા યબૂસીઓને હાંકી કાઢયા નહિ, અને ત્યારથી માંડીને યબૂસીઓ ત્યાં બિન્યામીનના લોકો સાથે રહેતા આવ્યા છે. યોસેફના વંશજોએ બેથેલ પર હુમલો કર્યો. તેમને પ્રભુનો સાથ હતો. તે વખતે એ નગરનું નામ લૂઝ હતું. તેમણે નગરમાં જાસૂસો મોકલ્યા. જાસૂસોએ એક માણસને નગર છોડીને જતો જોયો. તેમણે તેને કહ્યું, “તું અમને નગરમાં પ્રવેશવાનો માર્ગ બતાવ, તો અમે તને કંઈ ઈજા પહોંચાડીશું નહિ.” તેથી તેણે તેમને માર્ગ બતાવ્યો. યોસેફના વંશજોએ એ માણસ તથા તેના પરિવાર સિવાય નગરના બધા માણસોનો સંહાર કર્યો. પેલો માણસ તે પછી હિત્તીઓના પ્રદેશમાં ગયો અને ત્યાં એક નગર બાંધ્યું. તેણે તેનું નામ લૂઝ પાડયું. જે નામ આજ સુધી ચાલે છે. મનાશ્શાના કુળે બેથ-શેઆન, તાઅનાખ, દોર, ઈબ્બીમ, મગિદ્દો અને એ નગરોની આસપાસનાં તેમનાં ગામોમાંથી ત્યાંના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; કનાનીઓએ ત્યાં રહેવાનું ચાલુ રાખ્યું. ઇઝરાયલીઓ પ્રબળ બન્યા ત્યારે તેમણે કનાનીઓ પાસે વેઠ કરાવી, પણ તેમને છેક હાંકી કાઢયા નહિ. એફ્રાઈમના કુળે ગેઝેર નગરમાં રહેતા કનાનીઓને ત્યાંથી કાઢી મૂક્યા નહિ; તેથી કનાનીઓ ત્યાં તેમની સાથે જ રહ્યા. ઝબુલૂનના કુળે કિત્રોન અને નાહલોલના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ અને તેથી કનાનીઓ ત્યાં તેમની સાથે જ રહ્યા અને વેઠ કરનારા થયા. આશેરના કુળે આક્કો, સિદોન, આહલાબ, આખ્ઝીબ, હેલ્બા, એફેક અને રહોબ નગરના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ. આશેરના લોકો સ્થાનિક કનાનીઓ સાથે રહ્યા, કારણ, તેમણે તેમને કાઢી મૂક્યા નહિ. નાફતાલીના કુળે બેથ-શેમેશ અને બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ. નાફતાલીના લોકો સ્થાનિક કનાનીઓ સાથે રહ્યા, પણ તેમણે તેમની પાસે વેઠ કરાવી. અમોરીઓએ દાનના કુળના લોકોને પહાડીપ્રદેશમાં જ રોકી રાખ્યા અને તેમને મેદાનપ્રદેશમાં આવવા દીધા નહિ. અમોરીઓએ આયાલોન, શાઆલ્બીમ અને હેરેસ પર્વતમાં પોતાનો વસવાટ ચાલુ રાખ્યો. પણ યોસેફના વંશજોએ તેમને પોતાના નિયંત્રણમાં રાખ્યા અને તેમની પાસે વેઠ કરાવી. સેલાની ઉત્તરે અમોરીઓની સરહદ અક્રાબીમના ઘાટમાં થઈને પસાર થતી હતી. પ્રભુનો દૂત ગિલ્ગાલમાંથી બોખીમમાં આવ્યો. તેણે ઇઝરાયલીઓને કહ્યું, “હું તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો, અને તમારા પૂર્વજોને મેં સમપૂર્વક આપેલા વચન પ્રમાણેના દેશમાં હું તમને લાવ્યો છું. મેં કહ્યું, ‘તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહિ. તમારે આ દેશના રહેવાસીઓ સાથે કોઈ જાતનો કરાર કરવો નહિ. તમારે તેમની વેદીઓ તોડી નાખવી.’ પણ તમે મારા કહ્યા પ્રમાણે કર્યું નથી. તમે શા માટે એવું કર્યું? તેથી હવે હું એમ કહું છું કે તમારી આગળથી હું આ લોકોને હાંકી કાઢીશ નહિ. તેઓ તમારા શત્રુઓ બની રહેશે અને તમે તેમના દેવોની પૂજાના ફાંદામાં સપડાઈ જશો.” પ્રભુના દૂતે એ વાત કહી ત્યારે સર્વ ઇઝરાયલી લોકો પોક મૂકીને રડવા લાગ્યા. તેથી એ સ્થળનું નામ બોખીમ (રડનારા) પડયું. ત્યાં તેમણે પ્રભુને બલિદાનો ચડાવ્યાં. યહોશુઆએ ઇઝરાયલીઓને વિદાય કર્યા અને સૌ કોઈ દેશમાં પોતાના હિસ્સાના પ્રદેશનો કબજો મેળવવા ગયા. યહોશુઆ જીવ્યો ત્યાં સુધી ઇઝરાયલના લોકોએ પ્રભુની સેવાભક્તિ કરી, અને તેના અવસાન પછી પણ, પ્રભુએ ઇઝરાયલ માટે કરેલાં સર્વ મહાન કાર્યો જોનારા આગેવાનો જીવ્યા ત્યાં સુધી એમની સેવાભક્તિ ચાલુ રાખી. પ્રભુનો સેવક, નૂનનો પુત્ર યહોશુઆ એક્સો દસ વર્ષનો થઈને અવસાન પામ્યો. તેને ગાઆશ પર્વતની ઉત્તરે એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવેલા તિમ્નાથ-સેરામાં તેના પોતાના હિસ્સાની ભૂમિમાં દફનાવવામાં આવ્યો. એ આખી પેઢીના લોક અવસાન પામી પોતાના પૂર્વજો સાથે મળી ગયા અને તેમના પછી એક નવી પેઢી ઊભી થઈ જે પ્રભુને તથા તેમણે ઇઝરાયલ માટે કરેલાં કાર્યોને જાણતી નહોતી. હવે ઇઝરાયલી લોકોએ પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું અને તેમણે બઆલ દેવોની સેવા કરી. તેમણે તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવનાર તેમના પૂર્વજોના ઈશ્વરનો ત્યાગ કર્યો અને અન્ય દેવો એટલે તેમની આસપાસ વસતા લોકોના દેવોની પૂજા કરી. તેઓ તેમની આગળ નમ્યા અને પ્રભુને રોષ ચડાવ્યો. તેમણે પ્રભુની ભક્તિ કરવાનું છોડી દઈને બઆલ દેવો તેમજ આશ્તારોથની પૂજા કરી. તેથી ઇઝરાયલ પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો; જેથી લૂંટફાટ કરનારા તેમના પર હુમલો કરી તેમને લૂંટી જાય તેમ પ્રભુએ કર્યું. તેમણે તેમની આસપાસ તેમના શત્રુઓને તેમના પર પ્રબળ કર્યા અને ઇઝરાયલીઓ પોતાનું રક્ષણ કરી શક્યા નહિ. તેઓ જ્યારે જ્યારે લડવા જાય ત્યારે ત્યારે પ્રભુએ તેમને શપથપૂર્વક આપેલી ચેતવણી પ્રમાણે તે તેમની વિરુદ્ધમાં રહેતા. આમ, તેઓ મહા સંકટમાં આવી પડયા. પછી પ્રભુએ ઇઝરાયલીઓ માટે ન્યાયાધીશો ઊભા કર્યા અને ન્યાયાધીશોએ તેમને હુમલાખોરોથી બચાવ્યા. પણ ઇઝરાયલીઓએ તેમના કહેવા પર કંઈ લક્ષ આપ્યું નહિ, પણ તેઓ વેશ્યાગમન દ્વારા અન્ય દેવોની પૂજા કરવામાં જોડાયા. તેમના પિતૃઓ તો પ્રભુની આજ્ઞાઓ પાળીને તેમને અનુસર્યા હતા, પણ આ નવી પેઢીના લોકોએ તો બહુ જલદી એમ કરવાનું મૂકી દીધું. પ્રભુ જ્યારે જ્યારે ઇઝરાયલ માટે ન્યાયાધીશ ઊભો કરે ત્યારે પ્રભુ તે ન્યાયાધીશની સાથે રહેતા અને એ ન્યાયાધીશના જીવતાં સુધી પ્રભુ તેમનો તેમના શત્રુઓથી બચાવ કરતા. પ્રભુને તેમના પર દયા આવતી; કારણ, તેઓ તેમના શત્રુઓ તરફનાં દુ:ખ અને જુલમને કારણે નિસાસા નાખતા. પણ એ ન્યાયાધીશનું અવસાન થાય કે લોકો તેમના અગાઉના માર્ગે વળી જતા અને અગાઉની પેઢીના તેમના પૂર્વજો કરતાં તેઓ વિશેષ ભ્રષ્ટ થઈ જતા. તેઓ અન્ય દેવોની સેવાભક્તિ કરતા અને જિદ્દી વલણ દાખવતાં પોતાના દુષ્ટ માર્ગોમાં ચાલુ રહેતા. ત્યારે પ્રભુ ઇઝરાયલ પર કોપાયમાન થઈને તેમને કહેતા, “આ પ્રજાએ મેં તેમના પૂર્વજોને ફરમાવેલા કરારનો ભંગ કર્યો છે; કારણ, તેમણે મારી વાણી પર લક્ષ આપ્યું નથી. યહોશુઆ મૃત્યુ પામ્યો ત્યારે દેશમાં બાકી રહી ગયેલી અન્ય પ્રજાઓને હું હવે હાંકી કાઢીશ નહિ. આ ઇઝરાયલીઓ તેમના પૂર્વજોની માફક મારા માર્ગોમાં ચાલશે કે નહિ તેની ક્સોટી કરવા હું આ પ્રજાઓનો ઉપયોગ કરીશ.” આમ, પ્રભુએ આ અન્ય પ્રજાઓને દેશમાં રહેવા દીધી; તેમણે તેમને યહોશુઆને તાબે કરી નહિ અને યહોશુઆના મૃત્યુ પછી પણ તેમને ત્યાંથી જલદી કાઢી મૂકી નહિ. કનાન દેશની લડાઈઓનો જેમને અનુભવ થયો નહોતો તેવા ઇઝરાયલીઓની ક્સોટી કરવા માટે પ્રભુએ દેશમાં કેટલીક અન્ય પ્રજાઓને યથાવત્ રહેવા દીધી. ઇઝરાયલીઓની પ્રત્યેક પેઢીના લોકો અને તેમાંય વિશેષે કરીને જેઓ પહેલાં ક્યારેય યુદ્ધમાં ગયા ન હોય તેમને તેમણે લડાઈનો અનુભવ આપવા માટે એ પ્રજાઓને રહેવા દીધી. દેશમાં બાકી રહેલી પ્રજાઓમાં પલિસ્તીઓનાં પાંચ નગરોના લોકો, કનાનીઓ, સિદોનીઓ અને બઆલ- હેર્મોન પર્વતથી છેક હમાથના ઘાટ સુધી લબાનોનના પર્વતપ્રદેશમાં રહેતા હિવ્વીઓ હતા. પ્રભુએ મોશે દ્વારા ઇઝરાયલીઓના પૂર્વજોને આપેલી આજ્ઞાઓનું ઇઝરાયલીઓ પાલન કરશે કે નહિ તે જાણવા તેમની ક્સોટી કરવા માટે એ પ્રજાઓ હતી. એ રીતે ઇઝરાયલી લોકો કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓમાં વસ્યા. તેમણે તેમની સાથે લગ્નસંબંધો બાંયા અને તેમના દેવોની પૂજા કરી. ઇઝરાયલીઓએ પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું; તેઓ તેમના ઈશ્વર પ્રભુને વીસરી ગયા અને બઆલ તથા અશેરાની મૂર્તિઓની પૂજા કરી. તેથી ઇઝરાયલ પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેમણે તેમને મેસોપોટેમિયાના રાજા કૂશાન-રિશઆથાઈમને સ્વાધીન કરી દીધા, અને તેઓ આઠ વર્ષ સુધી તેના તાબામાં રહ્યા. પછી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમને મુક્ત કરવાને પ્રભુએ એક માણસ ઊભો કર્યો. એ માણસ તો કાલેબના નાના ભાઈ કનાઝનો પુત્ર ઓથ્નીએલ હતો. તેના પર પ્રભુનો આત્મા આવ્યો અને તે ઇઝરાયલનો ન્યાયાધીશ બન્યો. ઓથ્નીએલ લડાઈ કરવા ગયો. પ્રભુએ તેને મેસોપોટેમિયાના રાજા પર વિજય પમાડયો. દેશમાં ચાલીસ વર્ષ સુધી શાંતિ રહી. પછી કનાઝનો પુત્ર ઓથ્નીએલ મૃત્યુ પામ્યો. ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. ઇઝરાયલીઓના દુરાચરણને લીધે પ્રભુએ ઇઝરાયલ કરતાં મોઆબના રાજા એગ્લોનને વધુ સબળ કર્યો. એગ્લોને આમ્મોની અને અમાલેકીઓનો સાથ મેળવીને ઇઝરાયલીઓ પર ચડાઈ કરીને ખજૂરીઓનું નગર યરીખો જીતી લીધું. અઢાર વર્ષ સુધી ઇઝરાયલીઓ એગ્લોનના તાબામાં રહ્યા. પછી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમણે તેમને છોડાવવા એક માણસને ઊભો કર્યો. એ તો બિન્યામીનના કુળના ગેરાનો પુત્ર એહૂદ હતો; તે ડાબોડી હતો. ઇઝરાયલના લોકોએ એહૂદને ભેટસોગાદો સાથે મોઆબના રાજા એગ્લોન પાસે મોકલ્યો. એહૂદે પોતાને માટે લગભગ દોઢ ફૂટ લાંબી એવી એક બેધારી તલવાર બનાવી. તેણે તેને પોતાની જમણી બાજુએ વસ્ત્રોની નીચે બાંધી લીધી હતી. પછી તેણે એગ્લોન માટે ભેટસોગાદો લીધી. એગ્લોન તો બહુ જાડો હતો. એહૂદે તેને ભેટસોગાદ આપ્યા પછી તરત જ એ ભેટસોગાદ ઊંચકનારા માણસોને પાછા ઘેર જવા કહ્યું. પણ એહૂદ પોતે તો ગિલ્ગાલમાં પથ્થરોમાં કંડારેલી મૂર્તિઓના સ્થળેથી એગ્લોન પાસે પાછો ફર્યો. તેણે તેને કહ્યું, “મહારાજા, મારે તમને એક ગુપ્ત સંદેશ કહેવો છે.” તેથી રાજાએ તેની તહેનાતમાં સેવા કરનારા સૌને કહ્યું, “અમને એકાંત આપો.” તેથી તેઓ સૌ બહાર ચાલ્યા ગયા. રાજા ઉપલે માળે ઠંડકવાળી ઓરડીમાં બેઠો હતો ત્યારે એહૂદે તેની પાસે જઈને કહ્યું, “મારી પાસે તમારે માટે ઈશ્વર તરફથી સંદેશો છે.” તેથી રાજા ઊભો થયો. એહૂદે પોતાનો ડાબો હાથ લંબાવીને પોતાની જમણી બાજુમાંથી તલવાર કાઢી રાજાના પેટમાં ભોંકી દીધી. આખી તલવાર તેના હાથા સાથે ધૂસી ગઈ અને તેના પર ચરબી ફરી વળી. એહૂદે રાજાના પેટમાંથી તેને ખેંચી કાઢી નહિ. તલવાર પછવાડે ફૂટી નીકળી હતી. પછી એહૂદ બહાર પરસાળમાં જતો રહ્યો અને પોતાની પાછળ ઓરડીનાં બારણાં બંધ કરી દઈ તેના પર કળ ચડાવી દીધી. પછી એહૂદ ચાલ્યો ગયો. રાજાના નોકરોએ આવીને જોયું તો બારણા પર કળ ચડાવી દીધેલી હતી; પણ તેમણે ધાર્યું કે રાજા ઠંડકવાળી ઓરડીમાં હાજતે ગયા હશે. તેમણે તેની લાંબો સમય રાહ જોઈ, એટલે સુધી કે તેઓ અકળાઈ ગયા; પણ તેણે તે ઓરડીનું બારણું ખોલ્યું નહિ. છેવટે તેમણે ચાવી લઈને બારણું ખોલી નાખ્યું, તો ત્યાં તેમનો માલિક ભોંય પર મરેલો પડયો હતો. તેઓ રાહ જોતા હતા એવામાં એહૂદ દૂર નીકળી ગયો. તે પથ્થરોમાં કંડારેલી મૂર્તિઓનું સ્થળ વટાવીને સેઈરા સુધી પહોંચી ગયો. એફ્રાઈમના પહાડી- પ્રદેશમાં તે આવી પહોંચ્યો એટલે ઇઝરાયલીઓને લડાઈમાં જવાની હાકલ પાડતાં તેણે રણશિંગડું વગાડયું; પછી તે તેમને લઈને પહાડીપ્રદેશમાંથી નીચે આવ્યો. તેણે તેમને કહ્યું, “મારી પાછળ આવો! પ્રભુએ તમને તમારા શત્રુ મોઆબીઓ પર વિજય પમાડયો છે. તેથી તેઓ એહૂદની પાછળ પાછળ ગયા, અને મોઆબીઓ નદી ઓળંગીને આવે એવા યર્દનના બધા આરા કબજે કરી લીધા અને કોઈને નદી પાર ઊતરવા દીધો નહિ.” તે દિવસે તેમણે સશક્ત અને શૂરવીર એવા દસ હજાર મોઆબી સૈનિકોનો સંહાર કર્યો; એકેયને છટકી જવા દીધો નહિ. એ દિવસે ઇઝરાયલીઓએ મોઆબીઓને હરાવ્યા, અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. તે પછીનો ન્યાયાધીશ આનાથનો પુત્ર શામ્ગાર હતો. તેણે એક પરોણીથી છસો પલિસ્તીઓને મારી નાખીને ઇઝરાયલનો બચાવ કર્યો. એહૂદના અવસાન પછી ઇઝરાયલી લોકોએ પ્રભુની દૃષ્ટિમાં ફરીથી દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. તેથી પ્રભુએ તેમને હાસોર નગરમાં રાજ કરતા કનાની રાજા યાબીનને સ્વાધીન કરી દીધા. એનો સેનાપતિ વિદેશીઓના હરોશેથનો રહેવાસી સીસરા હતો. યાબીન પાસે લોખંડના નવસો રથ હતા અને તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલ પર ભારે જુલમ ગુજાર્યો. પછી ઇઝરાયલી લોકોએ સહાયને માટે પ્રભુને પોકાર કર્યો. હવે લાપીદોથની પત્ની દબોરા એક સંદેશવાહિકા હતી અને તે સમયે તે ઇઝરાયલીઓની ન્યાયાધીશ હતી. એફ્રાઈમના પહાડીપ્રદેશમાં રામા અને બેથેલની વચ્ચે ‘દબોરાની ખજૂરી’ તરીકે ઓળખાતા વૃક્ષ નીચે તે બેસતી અને ઇઝરાયલી લોકો તેની પાસે ત્યાં ચુકાદા માટે જતા. એક દિવસે તેણે નાફતાલીના કુળપ્રદેશમાં આવેલા કેદેશ નગરમાંથી અબિનોઆમના પુત્ર બારાકને બોલાવડાવીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ તને આવી આજ્ઞા ફરમાવી છે: “નાફતાલી અને ઝબુલૂનનાં કુળોમાંથી દસ હજાર માણસોને તારી સાથે લઈને તાબોર પર્વત જા. હું યાબીનના સેનાપતિ સીસરાને તારી સામે લડવા કિશોન નદી આગળ લાવીશ. તેની પાસે તેના રથો અને સૈન્ય હશે, પણ હું તને તેના પર વિજય પમાડીશ.” બારાકે જવાબ આપ્યો, “જો તમે મારી સાથે આવો તો જ હું જઉં; પણ તમે ન આવો, તો હું જવાનો નથી.” દબોરાએ કહ્યું, “ભલે, હું તારી સાથે આવીશ, પણ તને વિજયનો જરાયે જશ મળશે નહિ; કારણ, પ્રભુ એક સ્ત્રીના હાથમાં સીસરાને સોંપી દેશે.” આમ દબોરા બારાક સાથે કેદેશ જવા ઊપડી. બારાકે ઝબુલૂન અને નાફતાલીનાં કુળોને કેદેશમાં બોલાવ્યા અને તેની આગેવાની નીચે દસ હજાર માણસો ગયા. દબોરા પણ તેની સાથે ગઈ. દરમ્યાનમાં, હેબેર કેનીએ કેદેશની નજીક સાઅનાન્‍નીમાં આવેલા એલોનવૃક્ષ નીચે પોતાનો તંબુ માર્યો. આમ, તે અન્ય કેનીઓ એટલે મોશેના સાળા હોબાબના વંશજોથી દૂર જતો રહ્યો. સીસરાને ખબર મળી કે અબિનોઆમના પુત્ર બારાકે તાબોર પર્વત પર પડાવ નાખ્યો છે. તેથી તેણે પોતાના નવસો લોખંડના રથો તથા પોતાના માણસોને બોલાવી મંગાવીને તેમને વિદેશીઓના હરોશેથથી કિશોન નદીએ મોકલ્યા. પછી દબોરાએ બારાકને કહ્યું, “જા, પ્રભુ તારા અગ્રેસર બન્યા છે. આજે તે સીસરાને તારે સ્વાધીન કરી દેશે.” તેથી બારાક અને તેની સરદારી હેઠળ દસ હજાર માણસો તાબોર પર્વત પરથી નીચે ઊતર્યા. બારાકનો ધસારો થતાં જ પ્રભુએ સીસરાને તથા તેના સર્વ રથો સહિતના સૈન્યમાં આતંક ફેલાવી દીધો. સીસરા પોતાના રથમાંથી ઊતરી પડયો અને દોડતો દોડતો નાસી છૂટયો. બારાકે છેક વિદેશીઓના હરોશેથ સુધી રથો તેમજ સૈન્યનો પીછો કર્યો અને સીસરાના આખા સૈન્યનો સંહાર થયો; એકેય બચ્યો નહિ. સીસરા દોડતાં દોડતાં હેબેર કેનીની પત્ની યાએલના તંબુએ નાસી ગયો; કારણ, હાસોરના રાજા યાબીન અને હેબેરના કુટુંબ વચ્ચે સલાહસંપ હતો. યાએલ સીસરાને મળવા બહાર ગઈ અને તેણે તેને કહ્યું, “મહાશય, મારા તંબુમાં આવો, ગભરાશો નહિ.” તેથી તે અંદર ગયો અને તેણે તેને એક ધાબળા વડે ઢાંકી દીધો. તેણે તેને કહ્યું, “મહેરબાની કરી મને થોડું પાણી પીવડાવ; કારણ, મને તરસ લાગી છે.” તેણે ચામડાની મશકમાંથી તેને દૂધ પાયું અને ફરી પાછો સંતાડી દીધો. પછી તેણે તેને કહ્યું, “તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભી રહે, અને કોઈ આવીને પૂછે કે, ‘અહીં કોઈ છે?’ તો ના પાડજે.” સીસરા એટલો થાકી ગયો હતો કે તે ઘસઘસાટ ઊંઘી ગયો. પછી યાએલ એક હથોડો અને તંબુનો ખીલો લઈને ચૂપકીદીથી તેની પાસે ગઈ અને ખીલો તેની ખોપરીની આરપાર જમીન સુધી ઠોકી દીધો, એટલે તે મરી ગયો. જ્યારે બારાક સીસરાને શોધતો શોધતો આવ્યો ત્યારે યાએલ તેને મળવાને બહાર ગઈ અને તેને કહ્યું, “અંદર આવો, જેને તમે શોધો છો તે માણસ હું તમને બતાવીશ.” તેથી તે તેની સાથે અંદર તંબુમાં ગયો તો સીસરા જમીન પર મરેલો પડયો હતો અને તંબુનો ખીલો તેની ખોપરીની આરપાર ઠોકેલો હતો. એ દિવસે પ્રભુએ કનાની રાજા યાબીન પર ઇઝરાયલીઓને વિજય પમાડયો. ઇઝરાયલીઓ યાબીન વિરુદ્ધ વધુ ને વધુ પ્રબળ થતા ગયા અને છેવટે તેમણે તેનો નાશ કર્યો. તે દિવસે દબોરા અને અબિનોઆમના પુત્ર બારાકે આ ગીત ગાયું: ઇઝરાયલી યોદ્ધાઓ લડી લેવાને કૃતનિશ્ર્વયી હતા. લોકો સ્વેચ્છાપૂર્વક લડાઈમાં સામેલ થયા. પ્રભુની સ્તુતિ થાઓ! હે રાજાઓ સાંભળો! હે શાસકો, લક્ષ આપો! હું પ્રભુ સમક્ષ ગીત ગાઈશ, હું ઇઝરાયલના ઈશ્વર પ્રભુ માટે સંગીતના સૂર વગાડીશ. હે પ્રભુ, તમે જ્યારે સેઈરના પર્વતોમાંથી આવ્યા, અને જ્યારે અદોમના પ્રદેશમાંથી નીકળી આવ્યા, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી વરસાદ તૂટી પડયો; વાદળાંમાંથી મુશળધાર વરસાદ વરસ્યો. સિનાઈના પ્રભુ સમક્ષ, હા, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સમક્ષ પર્વતો કંપ્યા. આનાથના પુત્ર શામ્ગારના સમયમાં, અને યાએલના સમયમાં વણઝારો દેશમાં થઈને જતી નહિ, અને મુસાફરો આડાઅવળા માર્ગે થઈને જતા. હે દબોરા, તારો ઉદય થયો તે પહેલાં, તું ઇઝરાયલની માતા સમી જાહેર થઈ તે પહેલાં ઇઝરાયલનાં નગરો ઉજ્જડ પડયાં હતાં. એ ખાલીખમ ઊભાં હતાં. ઇઝરાયલીઓએ નવા દેવો પસંદ કર્યા ત્યારે નગરોના દરવાજાઓ આગળ યુદ્ધ ખેલાતાં હતાં. તે વખતે ઇઝરાયલના ચાલીસ હજાર લોકોમાંથી કોઈનીય પાસે ઢાલ કે બરછી દેખાતી હતી? ઇઝરાયલના સેનાધિકારીઓ પર, સ્વેચ્છાપૂર્વક લડાઈમાં જોડાયેલા લોકો પર મારું દિલ લાગ્યું છે. પ્રભુની સ્તુતિ હો! સફેદ ગધેડા પર સવારી કરનારાઓ, સવારી કરતાં કિંમતી જીન પર બેસનારાઓ, તેમ જ હમેશાં પગપાળા જ ચાલનારાઓ, તમે સૌ એ વિજયની વાતો કરો. જળાશયો આગળ બેસીને લૂંટ વહેંચી લેનારાઓનો અવાજ સાંભળો! તેઓ પ્રભુના વિજયોનું, ઇઝરાયલના લોકોના વિજયોનું રટણ કરે છે. પછી પ્રભુના લોક તેમના નગરના દરવાજા તરફ કૂચ કરી જાય છે. જાગ! દબોરા, જાગ! જાગ, જાગીને ગીત ગાવા માંડ. અબિનોઆમના પુત્ર, ઊઠ, ઊભો થા! તારા બંદીવાનોને દોરી જા! ત્યારે તો જેઓ વફાદાર છે તેઓ તેમના આગેવાનો પાસે આવ્યા. પ્રભુના લોક લડાઈ માટે તૈયાર થઈને તેમની પાસે આવ્યા. અમાલેકમાં જેમની જડ હોય એવા કેટલાક એફ્રાઈમમાંથી આવ્યા. તારી પાછળ બિન્યામીનના કુળના લોકોની હરોળ હતી. માખીરમાંથી સેનાધિપતિઓ આવ્યા, ઝબુલૂનમાંથી અમલદારો આવ્યા. ઇસ્સાખારના આગેવાનો દબોરા સાથે આવ્યા; ઇસ્સાખારના કુળના લોકો આવ્યા, અને બારાક પણ આવ્યો. તેઓ તેની પાછળ ખીણમાં ગયા. પણ રૂબેનના કુળમાં ભારે મનોમંથન થયું અને તેઓ આવવાનો નિર્ણય કરી શક્યા નહિ. તમે ઘેટાંની પાછળ કેમ ફરતા રહ્યા? ઘેટાંપાળકો ટોળાંને સીટી વગાડી બોલાવે તે સાંભળવા? સાચે જ રૂબેનના કુળમાં ભારે મનોમંથન થયું અને તેઓ આવવાનો નિર્ણય કરી શક્યા નહિ. ગિલ્યાદના લોકો યર્દનની પૂર્વમાં રહ્યા અને દાનનું કુળ વહાણો પાસે જ રહ્યું. આશેરનું કુળ દરિયાકિનારે રહ્યું; તેઓ કિનારાના પ્રદેશમાં જ રહ્યા. પણ ઝબૂલૂનના લોકો જીવને સાટે ઝઝૂમ્યા; તો નાફતાલીના લોકોએ પણ રણમેદાનમાં ઉચ્ચસ્થાનોમાં ઝુકાવ્યું. મગિદ્દોના ઝરણા પાસે તાઅનાખ આગળ રાજાઓ આવ્યા અને લડયા. કનાનના રાજાઓ લડયા. પણ તેઓ કંઈ રૂપું લૂંટી ગયા નહિ. આકાશમાંથી તારાઓ લડયા, હા, પોતાની કક્ષામાં ધૂમતા તારાઓ સીસરા વિરુદ્ધ લડયા. કિશોનના પૂરે, ધસમસતી કિશોન નદીના પૂરમાં તેઓ તણાઈ ગયા. હું આગળ ધપીશ; મારી પૂરી શક્તિથી આગળ ધપીશ. પછી તબડક તબડક કરતા ઘોડા, પોતાની ખરીઓથી જમીનને ખૂંદતા ઘોડા આવ્યા. પ્રભુના દૂતે કહ્યું, “મેરોઝને શાપ દો. તેના રહેવાસીઓને શાપ પર શાપ દો. તેઓ પ્રભુના પક્ષમાં, તેમને માટે તેમના સૈનિકો તરીકે લડવાને આવ્યા નહિ.” બધી સ્ત્રીઓમાં હેબેર કેનીની પત્ની યાએલ વિશેષ આશીર્વાદિત છે. તંબુઓમાં રહેતી બધી સ્ત્રીઓમાં તે વિશેષ આશીર્વાદિત છે. સીસરાએ તેની પાસે પાણી માગ્યું, પણ તેણે તેને દૂધ પાયું; સુંદર કટોરામાં તે તેને માટે દહીં લાવી. તેણે એક હાથમાં તંબુની મેખ લીધી, તો બીજા હાથમાં કારીગરનો હથોડો લીધો; તેણે સીસરા પર ઘા કર્યો અને તેની ખોપરી કચડી નાખી; તેણે તેના માથાને આરપાર વીંધી નાખ્યું. તે તેના પગ આગળ ઢળી પડયો, તે પડયો તેવો જ મરી ગયો; તે તેના પગ આગળ ઢળી પડયો, જ્યાં પડયો ત્યાં જ મરી ગયો. સીસરાની માતા બારીમાંથી ડોકિયું કરે છે. તે જાળીવાળી બારી પાછળથી બૂમ પાડે છે. તેણે પૂછયું, “તેના રથને આવતાં કેમ વિલંબ થાય છે? તેના રથોનો ગડગડાટ સાંભળવામાં વિલંબ કેમ થાય છે?” તેની શાણી દાસીઓએ તેને જવાબ આપ્યો; બલ્કે તે પોતેય મનમાં કહી રહી છે: “તેઓ લૂંટ એકઠી કરવા અને વહેંચી લેવા રોકાયા હશે. દરેક સૈનિકને ભાગે એક કે બબ્બે કન્યા આવી હશે; સીસરા માટે રંગીન અને ભરતકામવાળાં વસ્ત્રોની લૂંટ મળી હશે! રાણીના ગળા માટે ભરતકામ કરેલા એક બે દુપટ્ટા મળ્યા હશે!” હે પ્રભુ, તમારા સર્વ શત્રુઓ એ જ રીતે માર્યા જાય, પણ તમારા ભક્તો ઊગતા સૂર્યની જેમ પ્રકાશતા જાઓ! પછી દેશમાં ચાલીસ વર્ષ સુધી શાંતિ રહી. ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું, તેથી તેમણે તેમને સાત વર્ષ સુધી મિદ્યાનીઓને તાબે કરી દીધા. મિદ્યાનીઓના વધતા જતા જોરજુલમથી બચવા ઇઝરાયલીઓ પહાડોનાં કોતરો, ગુફાઓ અને ગઢોમાં સંતાઈ રહેતા. જ્યારે જ્યારે ઇઝરાયલીઓ વાવણી કરે ત્યારે ત્યારે મિદ્યાનીઓ પોતાની સાથે અમાલેકીઓ અને અન્ય પૂર્વપ્રદેશની જાતિઓને લઈને ચડી આવતા અને તેમના પર હુમલો કરતા. તેઓ દેશમાં પડાવ નાખતા અને દક્ષિણમાં છેક ગાઝાના વિસ્તાર સુધી પાકનો નાશ કરતા. તેઓ ઘેટાંબકરાં, ઢોરઢાંક અને ગધેડાં બધું લઈ જતા અને ઇઝરાયલીઓના જીવનનિર્વાહ માટે કશું બાકી રાખતા નહિ. તેઓ પોતાનાં ઢોરઢાંક અને તંબુઓ સહિત તીડની જેમ ટોળાબંધ આવતા. તેમનાં ઊંટો અગણિત હતાં. તેઓ આવીને દેશને ખેદાનમેદાન કરી નાખતા. મિદ્યાનીઓને લીધે ઇઝરાયલીઓ કંગાલાવસ્થામાં આવી પડયા. તેથી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો. જ્યારે ઇઝરાયલી લોકોએ સહાય માટે પ્રભુને પોકાર કર્યો, ત્યારે પ્રભુએ તેમની પાસે એક સંદેશવાહક મોકલ્યો; જે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પાસેથી તેમને માટે આવો સંદેશ લાવ્યો: “મેં તમને ઇજિપ્તમાંથી, ગુલામીના ઘરમાંથી કાઢી લાવીને બચાવ્યા. મેં તમને ઇજિપ્તીઓ અને તમારા પર જુલમ કરનારાઓથી છોડાવ્યા. મેં આ દેશની જાતિઓને તમારી આગળથી હાંકી કાઢીને તેમનો પ્રદેશ આપ્યો. મેં તમને જણાવ્યું હતું કે હું તમારો ઈશ્વર પ્રભુ છું અને જેમના દેશમાં તમે વસો છો એ અમોરીના દેવોની તમે ઉપાસના કરશો નહિ. પણ તમે મારું સાંભળ્યું નહિ.” પછી પ્રભુનો દૂત ઓફ્રા ગામે આવ્યો અને અબીએઝેરના ગોત્રમાં યોઆશના મસ્તગીવૃક્ષ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે તે રીતે દ્રાક્ષાકુંડમાં ઘઉં ઝૂડતો હતો. પ્રભુના દૂતે તેને ત્યાં દર્શન દઈને કહ્યું, “હે શૂરવીર યોદ્ધા, પ્રભુ તારી સાથે છે.” ગિદિયોને તેને કહ્યું, “હે મહાશય, પ્રભુ અમારી સાથે છે તો અમારે માથે આ બધું કેમ આવી પડયું છે? અમારા પૂર્વજો અમને કહેતા તેમ પ્રભુ તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા ત્યારે તેમણે જે સર્વ અદ્‍ભુત કામો કર્યાં તે ક્યાં છે? પ્રભુએ અમને તરછોડી દીધા છે અને અમને મિદ્યાનીઓને સ્વાધીન કર્યા છે.” ત્યારે પ્રભુએ તેને આદેશ આપ્યો, “તારા પૂરા બળમાં જા, અને મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયલીઓને છોડાવી લે. હું પોતે તને મોકલું છું.” ગિદિયોને જવાબ આપ્યો, “પણ પ્રભુ હું કેવી રીતે ઇઝરાયલને છોડાવું? મનાશ્શાના કુળમાં મારું ગોત્ર સૌથી નબળું છે અને મારા પિતાના કુટુંબમાં પણ હું વિસાત વિનાનો છું.” પ્રભુએ જવાબ આપ્યો, “તું એમ કરી શકીશ; કારણ, હું તારી સાથે છું. એક માણસને મારતો હોય તેમ તું બહુ સહેલાઈથી મિદ્યાનીઓનો કચ્ચરઘાણ વાળી દઈશ.” ગિદિયોને જવાબ આપ્યો, “જો તમે મારા પર પ્રસન્‍ન થયા હો તો તમે પોતે પ્રભુ છો એની કોઈક સાબિતી આપો. હું તમારે માટે અર્પણ લઈ આવું ત્યાં સુધી કૃપા કરી અહીંથી જતા નહિ.” તેણે કહ્યું, “તું પાછો આવે ત્યાં સુધી હું રોકાઈશ.” તેથી ગિદિયોન પોતાના ઘરમાં ગયો અને એક લવારું રાંયું અને દસ કિલો લોટમાંથી ખમીરરહિત રોટલી બનાવી. તેણે માંસ એક ટોપલીમાં મૂકાયું અને એક વાસણમાં રસો લીધો. પછી મસ્તગીવૃક્ષ નીચે જઈને તેણે તે બધું પ્રભુના દૂતને અર્પ્યું. પ્રભુના દૂતે તેને કહ્યું, “માંસ તથા રોટલી આ ખડક પર મૂક અને તેમના પર રસો રેડી દે.” ગિદિયોને તે પ્રમાણે કર્યું. પછી પ્રભુના દૂતે પોતાના હાથમાંની લાકડી લંબાવીને તેના છેડાથી માંસ અને રોટલીને સ્પર્શ કર્યો. તરત જ ખડકમાંથી અગ્નિએ નીકળીને માંસ તથા રોટલીને ભસ્મ કરી દીધાં. પછી પ્રભુનો દૂત અદૃશ્ય થઈ ગયો. ત્યારે ગિદિયોનને ખબર પડી કે તેણે પ્રભુના દૂતને સાક્ષાત્ જોયો હતો. તે બોલી ઊઠયો, “અરેરે, પ્રભુ પરમેશ્વર, મારું આવી બન્યું! કારણ, મેં તમારા દૂતને મોઢામોઢ જોયા છે.” પણ પ્રભુએ તેને કહ્યું, “તને શાંતિ થાઓ. તું ગભરાઈશ નહિ. તું માર્યો જવાનો નથી.” ગિદિયોને ત્યાં પ્રભુને માટે એક વેદી બાંધી અને તેનું નામ ‘યાહવે-શાલોમ’ (પ્રભુ જ શાંતિ) પાડયું. આજે પણ તે અબીએઝેર ગોત્રના ઓફ્રા ગામે ઊભી છે. એ જ રાત્રે પ્રભુએ ગિદિયોનને કહ્યું, “તારા પિતાનો આખલો તેજ અન્ય સાત વર્ષની વયનો આખલો લે. બઆલ માટે બાંધેલી તારા પિતાની વેદી તોડી પાડ અને તેની બાજુમાં ઊભો કરેલો અશેરાદેવીનો સ્તંભ કાપી નાખ. આ ટેકરા પર તારા ઈશ્વર પ્રભુને માટે નમૂના મુજબની વેદી બાંધ. પછી તે કાપી નાખેલા અશેરાદેવીના સ્તંભનો બળતણના લાકડાં તરીકે ઉપયોગ કરી પેલા બીજા આખલાનું બાંધેલી વેદી પર પૂર્ણ દહનબલિ ચડાવ.” તેથી ગિદિયોને પોતાના નોકરોમાંથી દસને લીધા અને પ્રભુએ તેને કહ્યું હતું તે પ્રમાણે કર્યું. પોતાના કુટુંબ અને નગરના લોકોથી તે ખૂબ ગભરાતો હોવાથી તેણે તે કામ દિવસે નહિ કરતાં રાત્રે કર્યું. બીજે દિવસે વહેલી સવારે નગરના લોકો ઊઠયા તો બઆલની વેદી તોડી પાડેલી હતી, અશેરાનો સ્તંભ કાપી નાખેલો હતો અને ત્યાં બાંધેલી વેદી પર બીજા આખલાનું દહન કરવામાં આવ્યું હતું. તેઓ એકબીજાને પૂછવા લાગ્યા, “કોણે આ કર્યું?” તપાસ કરતાં તેમને ખબર પડી કે યોઆશના પુત્ર ગિદિયોને એ કામ કર્યું હતું. પછી તેમણે યોઆશને કહ્યું, “તારા પુત્રને અહીં બહાર કાઢી લાવ કે અમે તેને મારી નાખીએ. તેણે બઆલની વેદી તોડી પાડી છે અને તેની બાજુમાંનો અશેરાનો સ્તંભ કાપી નાખ્યો છે.” પણ યોઆશે પોતાની સામે ઊભેલા લોકોને કહ્યું, “તમે બઆલના પક્ષમાં દલીલ કરો છો? તમે તેનો બચાવ કરવા માગો છો? એના પક્ષે દલીલ કરનાર જે કોઈ હોય તેને આવતી કાલ સવાર પહેલાં મારી નાખવામાં આવશે. બઆલ દેવ હોય તો તે પોતાનો બચાવ કરે. એની વેદી તો તોડી પાડવામાં આવી છે.” ત્યારથી ગિદિયોન યરૂબ્બઆલ (બઆલ હિમાયત કરે) તરીકે ઓળખાયો કારણ, યોઆશે કહ્યું, “બઆલ પોતે પોતાની હિમાયત કરે; વેદી તો એની તોડી પાડવામાં આવી છે.” તે પછી મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વપ્રદેશની જાતિઓના સર્વ લોકોએ ભેગા મળીને યર્દન ઓળંગી અને યિભએલની ખીણમાં પડાવ નાખ્યો. પ્રભુના આત્માએ ગિદિયોનને પોતાના કબજામાં લીધો, એટલે તેણે રણશિંગડું ફૂંકીને અબીએઝેરના ગોત્રના માણસોને પોતાની પાછળ આવવા લલકાર કર્યો. વળી, તેણે મનાશ્શાના બન્‍ને પ્રદેશમાં બધે સંદેશકો મોકલીને તેમને તેની પાછળ જવા અનુરોધ કર્યો. તેણે આશેર, ઝબુલૂન અને નાફતાલીનાં કુળો પાસે પણ સંદેશકો મોકલ્યા, અને તેઓ આવીને તેની સાથે જોડાયા. પછી ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમે કહો છો કે તમે મારા દ્વારા ઇઝરાયલનો બચાવ કરવાના છો. તો હું અમારા અનાજના ખળામાં થોડું ઊન મૂકું છું. જો સવારે માત્ર ઊનમાં જ ઝાકળ હોય, પણ જમીન પર નહિ, તો હું જાણીશ કે તમે મારા દ્વારા ઇઝરાયલને છોડાવવાના છો.” અને તે જ પ્રમાણે થયું. બીજે દિવસે વહેલી સવારે ગિદિયોને ઊનને નીચોવ્યું તો તેમાંથી પ્યાલાભર ઝાકળનું પાણી નીકળ્યું. પછી ગિદિયોને ઈશ્વરને કહ્યું, “મહેરબાની કરી મારા પર ગુસ્સે થશો નહિ. એક વધુ વાર મને કહેવા દો. ઊન વડે બીજી એક વધુ ક્સોટી મને કરવા દો. આ વખતે ઊન કોરું રહે અને ભૂમિ ભીની થાય.” તે રાત્રે ઈશ્વરે એવું જ કર્યું. બીજી સવારે ઊન કોરું હતું, પણ ભૂમિ તો ઝાકળથી ભીની થયેલી હતી. એક દિવસે યરૂબ્બઆલ, એટલે ગિદિયોન તથા તેના માણસો વહેલી સવારે ઊઠયા અને હારોદના ઝરા પાસે છાવણી નાખી. મિદ્યાનીઓની છાવણી મોરેહ પર્વત પાસે તેમની ઉત્તર તરફ ખીણમાં હતી. પ્રભુએ ગિદિયોનને કહ્યું, “મિદ્યાનીઓને તમારે સ્વાધીન કરી દેવા માટે તારી પાસેના માણસો વધારે પડતા છે. કદાચ, ઇઝરાયલીઓ મનમાં ફૂલાશ મારે કે તેમણે જાતે વિજય હાંસલ કર્યો છે અને એનો જરા પણ યશ મને ન આપે. લોકોમાં જાહેરાત કર, ‘જે કોઈ ભયથી થરથરતો હોય તે ગિલ્યાદ પર્વત છોડીને પાછો જાય.” બાવીસ હજાર પાછા ગયા, પણ દસ હજાર રોકાયા. પછી ગિદિયોને પ્રભુને કહ્યું, “હજી તારી પાસે ઘણા માણસો છે. તું તેમને જળાશય પાસે લઈ જા અને ત્યાં હું તારે માટે માણસોને અલગ તારવીશ. જે માણસના સંબંધી હું કહું કે તે તારી સાથે જાય તે જાય અને જે માણસના સંબંધી હું કહું કે તે તારી સાથે ન જાય તે ન જાય.” ગિદિયોન તેના માણસોને જળાશયે લઈ ગયો, અને પ્રભુએ તેને કહ્યું, “કૂતરાની જેમ જીભથી લખલખાવીને પાણી પીનારા અને ધૂંટણિયે પડીને પાણી પીનારા એવા બન્‍ને પ્રકારના લોકોને જુદા પાડ.” હાથના ખોબેખોબે પાણી લઈ લખલખાવીને પાણી પીનારા ત્રણસો માણસો હતા. બાકીના બીજા બધા ધૂંટણિયે પડીને પાણી પીનારા હતા. પ્રભુએ ગિદિયોનને કહ્યું, “લખલખાવીને પાણી પીનારા આ ત્રણસો માણસો દ્વારા હું તમારો બચાવ કરીશ અને તમને મિદ્યાનીઓ પર જય પમાડીશ. બાકીના બીજા સૌને ઘેર જવા જણાવ.” તેથી ગિદિયોને બાકીના સર્વ ઇઝરાયલીઓને ઘેર મોકલી આપ્યા, પણ પુરવઠો અને રણશિંગડાં રાખનારા માત્ર પેલા ત્રણસોને રાખ્યા. મિદ્યાનીઓની છાવણી તેમની નીચે ખીણમાં હતી. તે રાત્રે પ્રભુએ ગિદિયોનને આદેશ આપ્યો, “ ઊઠ, જઈને તેમની છાવણી પર તૂટી પડ; હું તને તેના પર વિજય પમાડીશ. પણ તું હુમલો કરતાં ગભરાતો હોય તો તારા નોકર પુરાને લઈને તે છાવણીમાં જા. તેમની વાતો સાંભળીને તને હુમલો કરવાની હિંમત આવશે.” તેથી ગિદિયોન પોતાના નોકર પુરાને લઈને શત્રુની છાવણીના છેડે ગયો. મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વપ્રદેશની જાતિઓના લોકો તીડોનાં ટોળાંની જેમ ખીણમાં પડયા હતા. તેમની પાસે સમુદ્ર કિનારાની રેતીના રજકણોની જેમ સંખ્યાબંધ ઊંટો હતાં. ગિદિયોન ત્યાં પહોંચ્યો તો તેણે એક માણસને તેના મિત્રને સ્વપ્ન કહેતો સાંભળ્યો. તે કહેતો હતો, “મારા સ્વપ્નમાં મેં જવની રોટલીના ટુકડાને ગબડીને આપણી છાવણી પર આવતો અને તેનાથી એક તંબુ પર પ્રહાર થતો જોયો. તંબુ તૂટી પડયો અને જમીનદોસ્ત થઈ ગયો.” તેના મિત્રે જવાબ આપ્યો, “એ તો ઇઝરાયલીઓની, યોઆશના પુત્ર ગિદિયોનની તલવાર છે! એ વિના એનો બીજો કોઈ અર્થ હોઈ શકે નહિ. ઈશ્વરે તેને મિદ્યાનીઓ અને સમસ્ત સૈન્ય પર વિજય પમાડયો છે.” પેલા માણસનું સ્વપ્ન તથા તેનો અર્થ સાંભળીને ગિદિયોને ધૂંટણે પડીને ઈશ્વરની આરાધના કરી. પછી ઇઝરાયલી છાવણીમાં પાછા જઈને તેણે કહ્યું, “ઊઠો, પ્રભુ તમને મિદ્યાનીઓના સૈન્ય પર વિજય આપે છે!” તેણે એ ત્રણસો માણસોની ત્રણ ટુકડીઓ પાડી દીધી અને પ્રત્યેકને રણશિંગડું અને જેમાં દીવા મૂક્યા હોય તેવા ઘડા આપ્યા. તેણે તેમને કહ્યું, “હું છાવણીને છેડે પહોંચું ત્યારે મારી તરફ જોતા રહેજો અને હું જેમ કરું તેમ કરજો.” મારી ટુકડી અને હું અમે અમારાં રણશિંગડાં ફૂંકીએ ત્યારે તમે પણ તમારાં રણશિંગડાં છાવણી આસપાસ વગાડજો અને ‘પ્રભુ માટે તથા ગિદિયોન માટે’ એવો પોકાર પાડજો. મધરાત પહેલાં પહેરો બદલાયો તે પછી થોડા જ સમય બાદ ગિદિયોન અને તેના સો માણસો છાવણીના છેડે આવી પહોંચ્યા. પછી તેમણે રણશિંગડાં વગાડયાં, અને પોતાના હાથમાંના ઘડા ફોડી નાખ્યા. બીજી બે ટુકડીઓએ પણ તે જ પ્રમાણે કર્યું. તેઓ સૌએ તેમના ડાબા હાથમાં દીવા અને જમણા હાથમાં રણશિંગડાં રાખીને પોકાર કર્યો, “પ્રભુને માટે અને ગિદિયોનને માટે તલવાર!” છાવણીની આસપાસ પ્રત્યેક જણ પોતાના સ્થાને ઊભો હતો, અને શત્રુનું સમસ્ત સૈન્ય બૂમ પાડતાં પાડતાં નાસભાગ કરવા લાગ્યું. ગિદિયોનના માણસો તેમનાં ત્રણસો રણશિંગડાં વગાડી રહ્યા હતા ત્યારે પ્રભુએ શત્રુની ટુકડીઓને પોતાની તલવારો ચલાવી એકબીજા પર હુમલો કરતી કરી દીધી. તેઓ સારેથાન તરફ છેક બેથ-સિટ્ટા સુધી અને ત્યાંથી છેક ટાબ્બાથ નજીક આવેલા આબેલ-મહોલા નગર સુધી નાઠા. ત્યારે નાફતાલી, આશેર અને મનાશ્શાના બન્‍ને પ્રદેશોમાં લોકોને બોલાવવામાં આવ્યા અને તેમણે આવીને મિદ્યાનીઓનો પીછો કર્યો. ગિદિયોને એફ્રાઈમના આખા પહાડીપ્રદેશમાં સંદેશકો દ્વારા આવું કહેણ મોકલ્યું: ‘આવીને મિદ્યાનીઓ સામે યુદ્ધ કરો. છેક બેથ-બારા સુધી યર્દન નદી અને તેના વહેળાઓને આંતરીને મિદ્યાનીઓને નદી ઓળંગીને જતા રહેતા અટકાવો.” એફ્રાઈમના માણસોને એકઠા કરવામાં આવ્યા અને તેમણે છેક બેથ-બારા સુધી યર્દન નદી અને તેના વહેળાઓ ઓળંગવાના આરા આંતરી લીધા. તેમણે મિદ્યાનીઓના બે સરદારો, ઓરેબ અને ઝએબને પકડયા. ઓરેબને તેમણે ઓરેબ ખડક આગળ અને ઝએબને ઝએબના દ્રાક્ષાકુંડ આગળ મારી નાખ્યા. તેમણે મિદ્યાનીઓનો પીછો કરવાનું ચાલુ રાખ્યું અને ઓરેબ અને ઝએબનાં મસ્તક ગિદિયોનની પાસે લાવ્યા. ગિદિયોન ત્યારે યર્દનની પૂર્વ તરફ હતો. પછી એફ્રાઈમના માણસોએ ગિદિયોનને કહ્યું, “તું મિદ્યાનીઓ સામે લડવા ગયો ત્યારે તેં અમને બોલાવ્યા કેમ નહિ? તું અમારી સાથે એ રીતે કેમ વર્ત્યો?” એ વિષે તેમણે તેને સખત ઠપકો આપ્યો. પણ તેણે તેમને કહ્યું, “તમે જે કર્યું છે તેની સરખામણીમાં મેં જે કર્યું છે તેની કંઈ વિસાત નથી. અબીએઝેરના ગોત્રે દ્રાક્ષવેલાની લણણીમાં ભેગી કરેલી દ્રાક્ષો કરતાં એફ્રાઈમના કુળે જમીન પરથી વીણેલી દ્રાક્ષો વધારે નથી? છેવટે ઈશ્વરની સહાયથી તમે મિદ્યાનીઓના બે સરદારો ઓરેબ અને ઝએબને પકડીને મારી નાખ્યા. એની સરખામણીમાં મેં શું કર્યું છે?” તેની એ વાત સાંભળીને તેમનો ગુસ્સો નરમ પડયો. દરમ્યાનમાં, ગિદિયોન અને તેના ત્રણસો માણસો યર્દન નદીએ આવી પહોંચ્યા અને તેને પાર કરી દીધી. તેઓ સખત થાકી ગયા હતા, છતાં હજુ શત્રુનો પીછો કરી રહ્યા હતા. તેઓ સુક્કોથમાં આવ્યા ત્યારે તેણે તે નગરના માણસોને કહ્યું, “મારા માણસોને કંઈક ખોરાક આપો. તેઓ સખત થાકી ગયા છે, અને હું ઝેબા અને સાલ્મુન્‍ના રાજાઓનો પીછો કરી રહ્યો છું.” પણ સુક્કોથના આગેવાનોએ કહ્યું, “અમારે શા માટે તારા સૈન્યને ખોરાક આપવો જોઈએ? હજુ તો તેં ઝેબા અને સાલમુન્‍નાને પકડયા પણ નથી.” તેથી ગિદિયોનને કહ્યું, “ભલે, પણ પ્રભુ જ્યારે ઝેબા અને સાલ્મુન્‍નાને મારા હાથમાં સોંપી દેશે, ત્યારે હું તમને રણના કાંટાઝાખરાંથી ઝૂડી નાખીને તમારી ચામડી ઉતારી દઈશ.” ગિદિયોન પનુએલ ગયો અને ત્યાંના લોકોને પણ એ જ વિનંતી કરી, અને પનુએલના માણસોએ પણ તેને સુક્કોથના માણસોના જેવો જ જવાબ આપ્યો. તેથી તેણે કહ્યું, “હું સહીસલામત પાછો આવવાનો છું અને આવીશ ત્યારે આ બુરજ તોડી પાડીશ.” ઝેબા અને સાલ્મુન્‍ના તેમના સૈન્ય સાથે ર્ક્કોરમાં હતા. પૂર્વપ્રદેશની જાતિઓના આખા સૈન્યમાંથી માત્ર પંદરેક હજાર જ બાકી રહ્યા હતા; એક લાખ વીસ હજાર સૈનિકો તો માર્યા ગયા હતા. ગિદિયોન નોબા અને યોગ્બહાહની પૂર્વમાં જે રસ્તો રણપ્રદેશના તંબુવાસીઓ વાપરે છે તે પર થઈને આગળ ગયો અને સૈન્ય પર ઓચિંતો હુમલો કર્યો. ઝેબા અને સાલ્મુન્‍ના એ બે મિદ્યાની રાજાઓ ભાગ્યા, પણ તેણે તેમનો પીછો કર્યો અને તેમને પકડી પાડયા તથા આખા સૈન્યમાં આતંક ફેલાવી દીધો. હેરસ ઘાટના માર્ગે લડાઈમાં ગિદિયોન પાછો ફરતો હતો, ત્યારે તેણે સુક્કોથના એક જુવાન માણસને પકડીને પૂછપરછ કરી. પેલા જુવાને ગિદિયોનને સુક્કોથના સિત્તોતેર અગ્રણીઓનાં નામ લખી આપ્યાં. પછી ગિદિયોને સુક્કોથના માણસો પાસે જઈને તેમને કહ્યું, “તમે મને મદદ કરવા ના પાડી હતી એ તો યાદ છે ને? મેં ઝેબા અને સાલ્મુન્‍નાને હજી પકડયા નથી એમ કહીને તમે મારા થાકેલા સૈન્યને ખોરાક આપવા ના પાડી હતી. તો લો, આ રહ્યા એ ઝેબા અને સાલ્મુન્‍ના!” પછી તેણે રણપ્રદેશના કાંટાઝાંખરા લઈને સુક્કોથના આગેવાનોને મારીને તેમને બરાબર પાઠ ભણાવ્યો. તેણે પનુએલનો બુરજ પણ તોડી પાડયો અને તે નગરના લોકોને મારી નાખ્યા. પછી ગિદિયોને ઝેબા અને સાલ્મુન્‍નાને પૂછયું, “તમે તાબોરમાં જે માણસોને મારી નાખ્યા તેમનું શું?” તેમણે કહ્યું, “તેઓ તમારા જેવા જ લાગતા હતા. પ્રત્યેક જણ રાજકુમાર જેવો હતો.” ગિદિયોને કહ્યું, “તે મારા ભાઈઓ, મારા સહોદર હતા. હું શપથપૂર્વક કહું છું કે તમે તેમને મારી નાખ્યા નહોત, તો હું તમને મારી નાખત નહિ.” પછી તેણે તેના જયેષ્ઠપુત્ર યેથેરને કહ્યું, “ઊઠ, તેમને મારી નાખ.” પણ એ છોકરાએ પોતાની તલવાર ખેંચી નહિ. તે ખચક્યો; કારણ, તે હજી નાદાન હતો. પછી ઝેબા અને સાલ્મુન્‍નાએ ગિદિયોનને કહ્યું, “તો તમે પોતે જ ઊઠીને અમને મારી નાખો. એ તો જેવો માણસ તેવું તેનું બળ.” તેથી ગિદિયોને તેમને મારી નાખ્યા અને તેમનાં ઊંટોની ડોક પરથી આભૂષણો લઈ લીધાં. તે પછી ઇઝરાયલીઓએ ગિદિયોનને કહ્યું, “તમે અમને મિદ્યાનીઓથી બચાવ્યા છે. તો હવે તમે અને તમારા પછી તમારા વંશજો અમારા રાજા બનો.” ગિદિયોને જવાબ આપ્યો, “હું અથવા મારો પુત્ર તમારા રાજા બનીશું નહિ. પ્રભુ જ તમારા રાજા બનો.” પછી વિશેષમાં તે બોલ્યો, “તમારી પાસે મારી આટલી માગણી છે. તમે સૌ મને તમે લૂંટમાં મેળવેલાં કુંડળો આપો.” (સોનાનાં કુંડળો પહેરવાં એ ઇશ્માએલીઓનો રિવાજ હતો.) લોકોએ જવાબ આપ્યો, “અમે બહુ રાજીખુશીથી તમને તે આપીશું.” પછી તેમણે એ વસ્ત્ર પાથર્યું અને સૌએ લૂંટમાં મેળવેલાં કુંડળો તેમાં નાખ્યાં. ગિદિયોનને મળેલાં સોનાનાં કુંડળોનું વજન આશરે ઓગણીસ કિલો જેટલું હતું. એમાં આભુષણો, ગળાના હાર, મિદ્યાની રાજાઓનાં જાંબુડી વસ્ત્રો કે ઊંટોની ડોકમાં લટકાવાતા ચંદ્રકોનો સમાવેશ થતો નહોતો. ગિદિયોને સોનામાંથી એફોદ બનાવ્યું અને પોતાના વતન ઓફ્રામાં મૂકાયું. સર્વ ઇઝરાયલીઓએ પ્રભુનો ત્યાગ કર્યો અને એ એફોદની ઉપાસના કરવા ત્યાં જવા લાગ્યા. ગિદિયોન અને તેના કુટુંબ માટે એ ફાંદારૂપ થઈ પડયું. આમ, મિદ્યાનીઓ ઇઝરાયલીઓને તાબે થયા અને ફરી તેમણે માથું ઊંચકાયું નહિ. ગિદિયોન મરણ પામ્યો ત્યાં સુધી દેશમાં ચાલીસ વર્ષ શાંતિ રહી. યોઆશનો પુત્ર યરૂબ્બઆલ એટલે ગિદિયોન પોતાને ઘેર ગયો અને ત્યાં રહ્યો. તેને સિત્તેર પુત્રો હતા, કારણ, તેને ઘણી પત્નીઓ હતી. તેને શખેમમાં પણ એક ઉપપત્ની હતી; તેનાથી પણ તેને એક પુત્ર થયો અને તેણે તેનું નામ અબિમેલેખ પાડયું. યોઆશનો પુત્ર ગિદિયોન ઘણી પાકટ વયે મૃત્યુ પામ્યો અને અબિએઝેરના ગોત્રના નગર ઓફ્રામાં તેને તેના પિતા યોઆશની કબરમાં દફનાવવામાં આવ્યો. ગિદિયોનના મરણ પછી ઇઝરાયલી લોકો ફરીથી ઈશ્વર પ્રત્યે બેવફા નીવડયા અને તેમણે બઆલની મૂર્તિઓની પૂજા કરી. તેમણે બઆલ-બરીથને (કરારનો દેવ) પોતાના દેવ તરીકે માન્યો. તેમને તેમની આસપાસના સર્વ શત્રુઓથી છોડાવનાર તેમના ઈશ્વર પ્રભુની ઉપાસના કરી નહિ. યરૂબ્બઆલ એટલે ગિદિયોને ઇઝરાયલના ભલા માટે કરેલાં કામોને લક્ષમાં લઈ તેમણે તેના કુટુંબ પ્રત્યે કૃતજ્ઞતા દાખવી નહિ. યરૂબ્બઆલ એટલે ગિદિયોનનો પુત્ર અબિમેલેખ શખેમમાં તેના મામાઓ પાસે ગયો. તેણે તેમને તથા તેની માતાના પિતાના કુટુંબના ગોત્રના સર્વ માણસોને કહ્યું, “તમે શખેમના સર્વ નગરજનોને અંગત રીતે પૂછી જુઓ કે, ‘તમે શું પસંદ કરશો? યરૂબ્બઆલના સિત્તેરેય પુત્રો તમારા પર રાજ કરે તે કે પછી એક જ વ્યક્તિ તમારા પર રાજ કરે તે?’ આટલું યાદ રાખજો કે હું તમારા હાડમાંસનો છું.” તેની માતાના સંબંધીઓએ શખેમના માણસોને એ વિષે વાત કરી, અને શખેમના માણસોએ અબિમેલેખને અનુસરવાનું વલણ દાખવ્યું, કારણ, તે તેમનો સગો હતો. તેમણે તેને બઆલ-બરીથના મંદિરમાંથી ચાંદીના સિત્તેર સિક્કા આપ્યા અને એ નાણાં વડે તેણે નવરા અને હરામખોર લોકોની ટોળી ભાડે રાખી અને તેઓ તેને અનુસર્યા. તે પોતાના પિતાને ઘેર ઓફ્રા ગયો, અને ત્યાં તેણે પોતાના સિત્તેર ભાઈઓ, યરૂબ્બઆલ એટલે ગિદિયોનના પુત્રોને એક જ પથ્થર પર મારી નાખ્યા. પણ યરૂબ્બઆલનો સૌથી નાનો પુત્ર યોથામ બચી ગયો, કારણ કે તે સંતાઈ ગયો હતો. પછી શખેમ અને બેથ-મિલ્લોના સર્વ લોકો એકઠા થઈને શખેમમાં પવિત્રસ્તંભ પાસેના એલોનવૃક્ષ આગળ ગયા, અને ત્યાં તેમણે અબિમેલેખને રાજા બનાવ્યો. યોથામે જ્યારે તે જાણ્યું ત્યારે તે જઈને ગરીઝીમ પર્વત પર ઊભો રહ્યો અને તેમને મોટે ઘાંટે કહ્યું, “ઓ શખેમના માણસો, મારું સાંભળો, અને ઈશ્વર તમારું પણ સાંભળશે! એક વાર વૃક્ષો કોઈનો અભિષેક કરીને તેને પોતાના રાજા તરીકે પસંદ કરવા ગયાં. તેમણે ઓલિવવૃક્ષને કહ્યું, ‘તું અમારો રાજા થા.’ ઓલિવવૃક્ષે જવાબ આપ્યો, ‘જેનાથી દેવોનું અને માણસોનું સન્માન થાય છે એવા મારા તેલને પેદા કરવાનું પડતું મૂકીને હું વૃક્ષો પર શાસન ચલાવવા આવું?’ પછી વૃક્ષોએ અંજીરીને કહ્યું, ‘તું આવીને અમારો રાજા બન.’ પણ અંજીરીએ જવાબ આપ્યો, ‘મારાં સારાં મીઠાં ફળ પેદા કરવાનું પડતું મૂકીને હું તમારા પર શાસન ચલાવવા આવું?’ તેથી વૃક્ષોએ દ્રાક્ષવેલાને કહ્યું, ‘તું આવીને અમારો રાજા બન.’ પણ દ્રાક્ષવેલાએ જવાબ આપ્યો, ‘દેવો અને માણસોને આનંદ પમાડનાર મારો દ્રાક્ષાસવ પેદા કરવાનું પડતું મૂકીને હું તમારા પર શાસન ચલાવવા આવું?’ તેથી બધાં વૃક્ષોએ છેવટે કાંટાના છોડને કહ્યું, ‘તું આવીને અમારો રાજા બન.’ કાંટાના છોડે તેમને જવાબ આપ્યો, ‘જો તમે ખરેખર તમારા રાજા તરીકે અભિષેક કરવા માગતા હો, તો આવીને મારી છાયાનો આશ્રય લો. પણ જો તમે નહિ કરો, તો મારી કાંટાળી ડાળીઓમાંથી અગ્નિ ફાટી નીકળશે અને લબાનોનનાં ગંધતરુ બાળી નાખશે.” યોથામે વિશેષ બોલતાં કહ્યું, “તો હવે તમે કહો કે તમે આબિમેલેખને રાજા બનાવવામાં ખરેખરી પ્રામાણિક્તા અને નિખાલસતા દાખવી છે? યરૂબ્બઆલનાં કાર્યોને છાજે એ રીતે તેમની યાદગીરીના માનમાં તમે તેમના કુટુંબ પ્રત્યે યોગ્ય રીતે વર્ત્યા છો? તેમણે તમારે માટે યુદ્ધ ખેલ્યાં હતાં તે યાદ કરો. તમને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવવા તો તેમણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો. પણ આજે તો તમે મારા પિતાના કુટુંબની વિરુદ્ધ થઈ ગયા છો. તમે તેમના પુત્રોને, સિત્તેર માણસોને એક જ પથ્થર પર મારી નાખ્યા. એ પણ એટલા જ માટે કે તેમનો પુત્ર અબિમેલેખ, એક દાસીથી જન્મેલો તેમનો એ પુત્ર તમારો સગો થાય છે, અને તમે તેને શખેમનો રાજા બનાવ્યો છે. તેથી આજે તમે યરૂબ્બઆલ તથા તેના પરિવાર પ્રત્યે સાચી પ્રામાણિક્તા અને નિખાલસતાથી વર્ત્યા હો તો અબિમેલેખ તમને અને તમે અબિમેલેખને સુખરૂપ નીવડો. પણ જો એ રીતે વર્ત્યા ન હો તો અબિમેલેખમાંથી અગ્નિ ફાટી નીકળો અને શખેમ તથા બેથ-મિલ્લોના લોકોને બાળીને ભસ્મ કરી નાખો. શખેમ અને બેથ-મિલ્લોના લોકોમાંથી અગ્નિ ફાટી નીકળો અને અબિમેલેખને ભસ્મ કરી નાખો.” પછી પોતાના ભાઈ અબિમેલેખથી ગભરાતો હોવાથી યોથામ ભાગી છૂટયો અને જઈને બએરમાં રહ્યો. અબિમેલેખે ઇઝરાયલ પર ત્રણ વર્ષ રાજ કર્યું. પછી ઈશ્વરે અબિમેલેખ અને શખેમના માણસો વચ્ચે વેર કરાવનાર દુષ્ટાત્મા મોકલ્યો, એટલે તેમણે અબિમેલેખ સામે બંડ પોકાર્યું. અબિમેલેખે યરૂબ્બઆલના સિત્તેર પુત્રોને મારી નાખ્યા હતા અને શખેમના માણસોએ તેને એમાં સાથ આપ્યો હતો; અને તેથી તેમની પાસેથી એ ખૂનનો બદલો લેવાય માટે એમ બન્યું. શખેમના માણસોએ પર્વતના શિખરો પર અબિમેલેખ વિરુદ્ધ માણસો સંતાડી રાખ્યા હતા અને તેઓ રસ્તે જતા આવતા સૌને લૂંટી લેતા. અબિમેલેખને એ વાતની ખબર પડી. એબેદનો પુત્ર ગાઆલ તેના ભાઈઓ સહિત શખેમમાં આવ્યો અને શખેમના માણસોએ તેના પર ભરોસો મૂક્યો. તેઓ સૌ પોતપોતાની દ્રાક્ષવાડીમાં જઈને દ્રાક્ષો વીણી લાવ્યા, તેમાંથી દ્રાક્ષાસવ બનાવ્યો અને પછી ઉત્સવ મનાવ્યો. તેઓ તેમના દેવના મંદિરમાં ગયા અને ત્યાં તેમણે ખાઈપીને અબિમેલેખની મજાક ઉડાવી. ગાઆલે કહ્યું, “આપણે શખેમના માણસો કેવા છીએ? અબિમેલેખ કોણ છે કે આપણે તેની ગુલામી કરીએ? એ તો યરૂબ્બઆલનો પુત્ર છે અને તેનો અધિકારી ઝબૂલ તો તેના હુકમ પ્રમાણે શાસન ચલાવનાર છે. આપણે શા માટે તેની તાબેદારી કરીએ? તમારા ગોત્રના પ્રણેતા તમારા પૂર્વજ હામોરને વફાદાર રહો! હું આ લોકોનો અગ્રેસર હોત તો મેં ક્યારનોય અબિમેલેખને પૂરો કરી દીધો હોત. મેં તેને કહ્યું હોત, ‘તારા સૈન્યને સંગીન બનાવ અને લડવા આવી જા!” ગાઆલ જે બોલ્યો તે સાંભળીને શહેરનો શાસક ઝબૂલ ક્રોધે ભરાયો. તેણે અબિમેલેખ પાસે અરુમાહમા આમ કહેવા સંદેશકો મોકલ્યા, “એબેદનો પુત્ર ગાઆલ અને તેના ભાઈઓ શખેમમાં આવ્યા છે અને નગરલોકને તમારી વિરુદ્ધ ઉશ્કેરે છે. તેથી હવે તમે તથા તમારા માણસો રાતોરાત આવીને ખેતરોમાં સંતાઈ રહો. આવતી કાલે સવારે ઊઠીને નગર પર ઓચિંતો હુમલો કરો. પછી ગાઆલ અને તેના માણસો તમારી સામે બહાર ધસી આવે ત્યારે લાગ મળે તેમ તેમના પર તૂટી પડજો.” તેથી અબિમેલેખ અને તેના માણસો રાતોરાત ઉપડયા અને શખેમની બહાર ચાર જૂથમાં સંતાઈ રહ્યા. જ્યારે અબિમેલેખ અને તેના માણસોએ જોયું કે ગાઆલ બહાર આવીને નગરના દરવાજે ઊભો છે ત્યારે જ્યાં તેઓ સંતાઈ રહ્યા હતા ત્યાંથી ઊભા થયા. ગાઆલે તેમને જોઈને ઝબૂલને કહ્યું, “જુઓ, જુઓ, પર્વતની ટોચ પરથી માણસો ઊતરી રહ્યા છે!” ઝબૂલે જવાબ આપ્યો, “એ માણસો નથી. એ તો પર્વતો પર માત્ર માણસોના જેવા પડછાયા છે.” ગાઆલે ફરી કહ્યું, “જુઓ, મયવર્તી પર્વતમાળામાંથી માણસો ઊતરી આવે છે અને બીજું એક જૂથ જ્યોતિષોના એલોનવૃક્ષને રસ્તે આવી રહ્યું છે!” ત્યારે ઝબૂલે તેને કહ્યું, “તારી બધી બડાશની વાતો ક્યાં ગઈ? આપણે અબિમેલેખની તાબેદારી શા માટે કરવી એવું કહેનાર તું પોતે જ હતો. તું જેમની મજાક ઉડાવતો હતો એ જ આ માણસો છે. જા, હવે બહાર જઈને તેમની સાથે લડાઈ કર.” ગાઆલ નગરના માણસોને લઈને બહાર નીકળ્યો અને અબિમેલેખ સાથે યુદ્ધમાં ઝઝૂમ્યો. અબિમેલેખે ગાઆલનો પીછો કર્યો અને ગાઆલ નાસી છૂટયો. છેક નગરના પ્રવેશદ્વાર સુધી ઘણા લોકો ઘવાઈને પડયા. અબિમેલેખ અરુમાહમાં રહેતો હતો અને ઝબૂલે ગાઆલ તથા તેના ભાઈઓને શખેમમાંથી હાંકી કાઢયા, એટલે તેઓ ત્યાં રહી શક્યા નહિ. બીજે દિવસે અબિમેલેખને ખબર પડી કે શખેમના લોકો બહાર નીકળી ખેતરોમાં જવાની પેરવી કરી રહ્યા છે. તેથી તેણે તેના માણસોને ત્રણ ટુકડીમાં વહેંચી દીધા, અને ખેતરોમાં રાહ જોતાં સંતાડી રાખ્યા. લોકોને નગર બહાર આવતા જોઈને તે તેમને મારી નાખવા સંતાવાની જગ્યાએથી નીકળી આવ્યો. અબિમેલેખ અને તેની ટુકડીના માણસો નગરના પ્રવેશદ્વારનો કબજો લેવા પહોંચી ગયા, જ્યારે બાકીની બીજી બે ટુકડીઓએ ખેતરોમાં લોકો પર ત્રાટકીને તેમનો સંહાર કર્યો. લડાઈ આખો દિવસ ચાલી. અબિમેલેખે નગરને સર કર્યું, તેના લોકોને મારી નાખ્યા, તેને તોડી પાડયું અને તે જમીન પર મીઠું પાથરી દીધું. શખેમના કિલ્લામાં સર્વ આગેવાનોએ એ સાંભળ્યું ત્યારે તેઓ એલ-બરીથના મંદિરના ભોંયરામાં ભરાઈ ગયા. અબિમેલેખને ખબર મળી કે શખેમના કિલ્લાના માણસો ત્યાં ભોંયરામાં એકઠા થયા છે. તેથી તે પોતાના માણસોને લઈને સાલ્મોન પર્વત પર ગયો. ત્યાં તેણે એક કુહાડો લઈને વૃક્ષની ડાળ કાપી; પછી તેણે તે પોતાને ખભે ઊંચકી લીધી. તેણે પોતાના માણસો પણ એ જ પ્રમાણે સત્વરે કરવા જણાવ્યું. તેથી પ્રત્યેક જણે એક એક ડાળ કાપી લીધી; પછી તેઓ અબિમેલેખ પાછળ ગયા અને પેલા ભોંયરા આગળ લાકડાં ખડકીને તેને આગ ચાંપી. માણસોને તો ભોંયરામાં હતાં. કિલ્લાનાં બધાં એટલે, હજારેક સ્ત્રી-પુરુષો બળીને મરી ગયાં. પછી અબિમેલેખ તેબેસ ગયો અને તેને ઘેરો ઘાલીને સર કર્યું. ત્યાં એક મજબૂત બુરજ હતો, અને આગેવાનો સહિત સઘળાં સ્ત્રીપુરુષો તે બુરજમાં દોડી ગયાં. તેમણે અંદરથી બારણું વાસી દીધું અને બુરજના ધાબા પર જતા રહ્યાં. અબિમેલેખે એ બુરજ પર હુમલો કર્યો અને બુરજને આગ લગાડવા તે તેના બારણા નજીક ગયો. પણ એક સ્ત્રીએ તેના માથા પર ઘંટીનો પથ્થર નાખીને તેની ખોપરી ફોડી નાખી. તરત જ તેણે પોતાના શસ્ત્રવાહકને બોલાવીને કહ્યું, “તારી તલવાર તાણીને મને મારી નાખ. મને એક સ્ત્રીએ મારી નાખ્યો એવું કહેવાય તેમ હું ઇચ્છતો નથી.” તેથી પેલો શસ્ત્રવાહક તેના પર તૂટી પડયો અને તે મરી ગયો. અબિમેલેખ માર્યો ગયો છે એવું જાણતાની સાથે સૌ ઇઝરાયલીઓ પોતપોતાને ઘેર ગયા. પોતાના સિત્તેર ભાઈઓનો સંહાર કરીને અબિમેલેખે પોતાના પિતા વિરુદ્ધ કરેલા ગુના માટે ઈશ્વરે તેને એવો બદલો આપ્યો. યરૂબ્બઆલ એટલે ગિદિયોનના પુત્ર યોથામે આપેલા શાપમાં તેણે કહ્યું હતું તે મુજબ ઈશ્વરે શખેમના લોકોને પણ તેમની દુષ્ટતાનો બદલો આપ્યો. અબિમેલેખના અવસાન પછી ઇઝરાયલના બચાવ માટે દોદોના પુત્ર પૂઆનો પુત્ર તોલા ઊભો થયો. તે ઇસ્સાખારના કુળનો હતો અને એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવેલા શામીરમાં રહેતો હતો. તે ત્રેવીસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ રહ્યો. તે મૃત્યુ પામ્યો અને તેને શામીરમાં દફનાવવામાં આવ્યો. તોલા પછી ગિલ્યાદમાંથી યાઈર ઊભો થયો. તે બાવીસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ તરીકે રહ્યો. તેને ત્રીસ પુત્રો હતા અને તેઓ ત્રીસ ગધેડા પર સવારી કરતા હતા. તેમની પાસે ગિલ્યાદ પ્રાંતમાં ત્રીસ નગરો હતાં. એ નગરો આજે પણ યાઈરની વસાહતો તરીકે ઓળખાય છે. યાઈર મૃત્યુ પામ્યો અને તેને કામોનમાં દફનાવવામાં આવ્યો. ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલ, આશ્તારોથ, તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓના દેવોની ઉપાસના કરી. તેમણે પ્રભુનો ત્યાગ કર્યો અને તેમની ઉપાસના કરવાનું છોડી દીધું. તેથી પ્રભુ ઇઝરાયલીઓ પર કોપાયમાન થયા અને તેમને પલિસ્તીઓ તથા આમ્મોનીઓને સ્વાધીન કરી દીધા. યર્દન નદીની પૂર્વ તરફ ગિલ્યાદમાં આવેલા અમોરીઓના પ્રદેશમાં વસતા સર્વ ઇઝરાયલીઓ પર તેમણે અઢાર વર્ષ સુધી જોરજુલમ અને સતાવણી કર્યાં. વળી, આમ્મોનીઓ પણ યર્દન ઓળંગીને યહૂદા, બિન્યામીન અને એફ્રાઈમની સામે લડાઈ કરવા આવતા. ઇઝરાયલીઓ ભારે સંતાપમાં આવી પડયા. પછી ઇઝરાયલીઓએ પ્રભુને પોકાર કરીને કહ્યું, “અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, કારણ, અમે તમારો, એટલે અમારા ઈશ્વરનો ત્યાગ કર્યો છે, અને બઆલની મૂર્તિઓની પૂજા કરી છે.” પ્રભુએ તેમને જવાબ આપ્યો, “ભૂતકાળમાં તમારા પર ઇજિપ્તીઓ, અમોરીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ, સિદોનીઓ, અમાલેકીઓ અને માઓનીઓએ જુલમ કર્યો હતો, અને ત્યારે તમે મને પોકાર કર્યો હતો, ત્યારે શું મેં તમને બચાવ્યા નહોતા? પણ તમે તો મારો ત્યાગ કર્યો છે અને અન્ય દેવોની ઉપાસના કરી છે, તેથી હવે હું તમને છોડાવવાનો નથી. તમે જે દેવોને પસંદ કર્યા છે તેમની પાસે જઈને પોકારો કે તેઓ તમને તમારા સંકટમાંથી છોડાવે.” પણ ઇઝરાયલી લોકોએ પ્રભુને કહ્યું, “અમે પાપ કર્યું છે. તમારે જે કરવું હોય તે કરો. પણ અમને આટલી વાર બચાવો.” એમ તેમણે તેમના અન્ય દેવતાઓથી વિમુખ થઈને પ્રભુની ઉપાસના કરી, એટલે પ્રભુને ઇઝરાયલની આફત જોઈને દયા આવી. પછી આમ્મોની સૈન્યે લડાઈને માટે તૈયાર થઈ ગિલ્યાદમાં છાવણી નાખી. ઇઝરાયલના માણસો પણ એકઠા થયા અને તેમણે ગિલ્યાદના મિસ્પામાં છાવણી નાખી. ત્યાં લોકો અને ઇઝરાયલી કુળોના આગેવાનો વચ્ચે ચર્ચા વિચારણા થઈ, “આમ્મોનીઓ સામેની લડાઈમાં આગેવાની કોણ આપશે? જે કોઈ આગેવાની આપે તે ગિલ્યાદના સર્વ લોકોનો આગેવાન થાય.” ગિલ્યાદનો યફતા શૂરવીર યોદ્ધો હતો. તે એક વેશ્યાનો પુત્ર હતો. તેનો પિતા ગિલ્યાદ હતો. ગિલ્યાદથી તેની પત્નીને પણ પુત્રો થયા હતા. એ પુત્રો જ્યારે મોટા થયા ત્યારે તેમણે યફતાને ઘરમાંથી કાઢી મૂક્યો. તેમણે તેને કહ્યું, “તને અમારા પિતાના વારસામાંથી કંઈ મળશે નહિ; તું તો બીજી સ્ત્રીનો પુત્ર છે.” યફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને તોબ પ્રદેશમાં રહ્યો. ત્યાં તેણે કેટલાક તોફાની માણસોને એકઠા કર્યા અને તેઓ બધા તેની સાથે જ ફરતા. થોડા સમય બાદ આમ્મોનીઓ ઇઝરાયલીઓ સામે યુદ્ધ કરવા આવ્યા. એને લીધે ગિલ્યાદના આગેવાનો યફતાને તોબના પ્રદેશમાંથી લઈ આવવા તેની પાસે ગયા. તેમણે તેને કહ્યું, “તું આવીને અમારો સેનાપતિ થા કે જેથી અમે આમ્મોનીઓ સામે લડી શકીએ.” પણ યફતાએ જવાબ આપ્યો, “તમે તો મને ધિક્કારીને મારા પિતાના ઘરમાંથી કાઢી મૂક્યો હતો. હવે જ્યારે તમારા પર સંકટ આવી પડયું ત્યારે મારી પાસે શા માટે આવો છો?” તેમણે યફતાને કહ્યું, “તું અમારી સાથે આવીને આમ્મોનીઓ સામે લડાઈમાં ઊતરે અને ગિલ્યાદના સર્વ લોકોનો સેનાપતિ બને માટે અત્યારે અમે તારી પાસે આવ્યા છીએ.” યફતાએ તેમને કહ્યું, “તમે મને આમ્મોનીઓ સામે લડવા પાછો ઘેર લઈ જતા હો અને પ્રભુ મને લડાઈમાં વિજય પમાડે તો હું તમારો શાસક બનીશ.” તેમણે જવાબ આપ્યો, “ભલે, એમાં અમારી સંમતિ છે. પ્રભુ પોતે એ માટે આપણા સાક્ષી છે.” તેથી યફતા ગિલ્યાદના આગેવાનો સાથે ગયો અને લોકોએ તેને પોતાનો શાસક અને સેનાપતિ બનાવ્યો. યફતાએ મિસ્પામાં પ્રભુની સમક્ષતામાં પોતાની શરતો જણાવી. પછી યફતાએ આમ્મોનના રાજા પાસે સંદેશકો દ્વારા આવો સંદેશો મોકલ્યો, “અમારી સાથે તમારે શી તકરાર છે? તમે શા માટે મારા દેશ પર આક્રમણ કર્યું છે?” આમ્મોનના રાજાએ યફતાના સંદેશકોને જવાબ આપ્યો, “ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તેમણે આર્નોન નદીથી માંડીને યાબ્બોક નદી તેમજ યર્દન નદી સુધીનો મારો પ્રદેશ પચાવી પાડયો છે. હવે તમારે મને તે પ્રદેશ શાંતિપૂર્વક પાછો આપી દેવો જોઈએ.” યફતાએ આમ્મોન રાજા પાસે ફરી સંદેશકો મોકલ્યા, અને આવો જવાબ મોકલાવ્યો: “ઇઝરાયલે મોઆબનો કે આમ્મોનનો પ્રદેશ પચાવી પાડયો છે એમ કહેવું સાચું નથી. હકીક્ત તો આવી છે: ઇઝરાયલીઓએ જ્યારે ઇજિપ્ત છોડયું, ત્યારે તેઓ રણપ્રદેશમાં થઈને સૂફ સમુદ્ર અને ત્યાંથી કાદેશ આવ્યા. પછી અદોમના રાજાએ તેમને જવા દીધા નહિ. તેમણે મોઆબના રાજાને વિનંતી કરી, છતાં તેણે પણ અમને તેના દેશમાંથી જવા દીધા નહિ. પછી તેઓ રણપ્રદેશમાં જ આગળ વયા અને અદોમના અને મોઆબના દેશની સરહદે ફરતે ફરીને તેઓ મોઆબની પૂર્વ તરફ આર્નોન નદીની સામેની બાજુએ પહોંચ્યા. તેમણે ત્યાં છાવણી કરી, પણ તેમણે આર્નોન નદી ઓળંગી નહિ; કારણ, એ તો મોઆબની સરહદ હતી. પછી ઇઝરાયલીઓએ પોતાના દેશમાં જવા હેશ્બોનના અમોરી રાજા સિહોન પાસે સંદેશકો મોકલીને તેના દેશમાં થઈને પસાર થવાની પરવાનગી માગી. પણ સિહોનને ઇઝરાયલ પર ભરોસો નહોતો. તેણે પોતાના આખા સૈન્યેને એકત્ર કરીને યાહાઝમાં છાવણી નાખી અને ઇઝરાયલ પર હુમલો કર્યો. પણ ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ સિહોન અને તેના સૈન્ય પર ઇઝરાયલીઓને વિજય પમાડયો. આમ, એ દેશમાં વસતા અમોરીઓનો સમસ્ત વિસ્તાર ઇઝરાયલીઓએ કબજે કર્યો. તેમણે દક્ષિણે આર્નોનથી ઉત્તરે યાબ્બોક અને પૂર્વમાં રણપ્રદેશથી પશ્ર્વિમે યર્દન સુધીનો અમોરીઓનો આખો પ્રદેશ કબજે કર્યો. તેથી પોતાના ઇઝરાયલી લોકો માટે અમોરીઓને હાંકી કાઢનાર તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પોતે હતા. તમે હવે તે પ્રદેશ પાછો લઈ લેવાનો પ્રયાસ કરો છો? તમારા દેવ કમોશે તમને આપ્યો હોય તે પ્રદેશ તમે રાખો. પણ અમે તો અમારા ઈશ્વર પ્રભુએ અમારે માટે જે કંઈ પ્રદેશ લઈ લીધો છે તે રાખવાના છીએ. મોઆબના રાજા એટલે સિપ્પોરના પુત્ર બાલાક કરતાં તમે વિશેષ છો? શું તેણે ક્યારેય અમારી વિરુદ્ધ યુદ્ધ કર્યું હતું? છેલ્લાં ત્રણસો વર્ષથી હેશ્બોન અને અરોએર તથા તેમની આસપાસનાં ગામ અને આર્નોન નદીને કિનારે આવેલાં સર્વ નગરો ઇઝરાયલના તાબામાં છે. આ બધો વખત તમે તે પાછાં કેમ લઈ લીધાં નહિ? ખરેખર, મેં તમારો કોઈ અપરાધ કર્યો નથી. તમે મારી સામે યુદ્ધે ચડીને મારું ભૂંડું કરી રહ્યા છો. પ્રભુ ન્યાયાધીશ છે. તે ઇઝરાયલીઓ અને આમ્મોનીઓ વચ્ચે ફેંસલો કરશે.” પણ યફતાના આ સંદેશાને આમ્મોનના રાજાએ ગણકાર્યો નહિ. પછી પ્રભુનો આત્મા યફતા પર આવ્યો. તે ગિલ્યાદમાં અને મનાશ્શામાં ફર્યો અને પાછો ગિલ્યાદના મિસ્પામાં આવ્યો અને ત્યાંથી આમ્મોન ગયો. યફતાએ પ્રભુને વચન આપ્યું: “જો તમે મને આમ્મોનીઓ પર વિજય પમાડશો, તો હું વિજય મેળવીને ઘેર પાછો આવું ત્યારે મારા ઘરમાંથી જે કંઈ મને પ્રથમ મળે તે પ્રભુનું ગણાશે અને હું તેનો દહનબલિ ચડાવીશ.” એમ આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા યફતાએ નદી પાર કરી અને પ્રભુએ તેને વિજય પમાડયો. તેણે તેમને અરોએરથી મીન્‍નીથના વિસ્તાર સુધી બધાં મળીને વીસ નગરોમાં અને છેક આબેલ-ર્કાનાઈમ સુધી માર્યા. મહા ભારે ક્તલ થઈ, અને ઇઝરાયલીઓની આગળ આમ્મોનીઓ તાબે થઈ ગયા. યફતા જ્યારે મિસ્પામાં પોતાને ઘેર ગયો ત્યારે તેની પુત્રી ખંજરી વગાડતી અને નાચતી નાચતી તેને મળવાને આવી. તે તેની એકની એક પુત્રી હતી અને તેના સિવાય એને કોઈ સંતાન નહોતું. જ્યારે તેણે તેને જોઈ ત્યારે તેણે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં અને કહ્યું, “હાય, મારી દીકરી, તેં તો મારું હૃદય ભાંગી નાંખ્યું! તું પણ મને દુ:ખ દેનારાઓમાંની એક બની? મેં પ્રભુને ગંભીર વચન આપ્યું છે, અને હવે તે ફોક કરી શકાય તેમ નથી!” તેણે તેને કહ્યું, “તમે પ્રભુને વચન આપ્યું હોય તો મારું જે કરવાનું તમે કહ્યું હોય તે કરો; કારણ, પ્રભુએ તમારા શત્રુ આમ્મોનીઓ પર વેર વાળ્યું છે.” પણ તેણે તેના પિતાને કહ્યું, “મારી આટલી માગણી સ્વીકારો. મને બે માસ એકાંત આપો અને મારી સહિયરો સાથે પર્વતોમાં જઈને મારે કુંવારી જ રહેવું પડશે એ બાબતનો શોક પાળવા દો.” તેણે તેને જવા દીધી અને બે માસ માટે મોકલી આપી. તે તથા તેની સહિયરો પર્વતોમાં ગયાં અને પોતે કુંવારી જ રહેશે એનો શોક કર્યો. બે માસ પછી તે પોતાના પિતા પાસે પાછી આવી. યફતાએ પ્રભુ આગળ માનેલી માનતા પૂરી કરી અને તેની પુત્રી કુંવારી રહી. તેથી ઇઝરાયલમાં એવો રિવાજ પડી ગયો કે ગિલ્યાદના યફતાની પુત્રીનાં વિલાપગીત ગાવા ઇઝરાયલી સ્ત્રીઓ દર વરસે ચાર દિવસ બહાર જાય. એફ્રાઈમના માણસો યુદ્ધને માટે સજ્જ થયા; તેઓ યર્દન ઓળંગીને સાફોન આવ્યા અને યફતાને કહ્યું, “તારી સાથે લડાઈમાં બોલાવ્યા વિના તું આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા સરહદ ઓળંગીને કેમ ગયો? અમે તને તારા ઘરમાં પૂરીને તેને સળગાવી દઈશું! ” પણ યફતાએ તેમને કહ્યું, “મારે અને મારા લોકોને આમ્મોનીઓ સાથે ગંભીર ઝઘડો પડયો હતો. મેં તો તમને બોલાવ્યા હતા, પણ તમે મને બચાવવા આવ્યા નહિ. મેં જોયું કે તમે હવે આવવાના નથી ત્યારે મેં મારો જીવ જોખમમાં નાખ્યો અને તેમની સામે લડવાને સરહદ ઓળંગી. પ્રભુએ મને તેમના પર વિજય પણ પમાડયો. તો તમે હવે મારી સામે લડવા કેમ આવ્યા છો?” પછી યફતા ગિલ્યાદના બધા માણસોને એકઠા કરીને એફ્રાઈમના માણસો સામે લડયો અને તેમને હરાવ્યા. (એફ્રાઈમીઓ આવું બોલ્યા હતા: “હે એફ્રાઈમ અને મનાશ્શામાં રહેનારા ગિલ્યાદીઓ, તમે એફ્રાઈમમાંથી નાસી આવેલા છો!” એફ્રાઈમીઓને નાસી છૂટતા રોકવા માટે ગિલ્યાદીઓએ યર્દનના બધા ઘાટો કબજે કરી લીધા. જ્યારે નાસી છૂટવાનો પ્રયાસ કરનાર કોઈપણ એફ્રાઈમી નદી ઓળંગવા દેવા વિનંતી કરતો ત્યારે ગિલ્યાદના માણસો પૂછતા, “શું તું એફ્રાઈમી છે?” જો તે ના કહે, તો તેઓ તેને કહેતા, ‘શિબ્બોલેથ’ બોલ, પણ તે ‘સિબ્બોલેથ’ કહેતો. કારણ, તે તેનો સાચો ઉચ્ચાર કરી શક્તો નહિ. પછી તેઓ તેને પકડીને ત્યાં યર્દનના ઘાટ પર જ મારી નાખતા. એ સમયે બેંતાળીસ હજાર એફ્રાઈમીઓ માર્યા ગયા. યફતા છ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ તરીકે રહ્યો. પછી તે અવસાન પામ્યો અને તેને ગિલ્યાદના નગરમાં દફનાવવામાં આવ્યો. યફતા પછી બેથલેહેમનો ઈબ્સાન ઇઝરાયલમાં ન્યાયાધીશ થયો. તેને ત્રીસ પુત્રો અને ત્રીસ પુત્રીઓ હતાં. તેણે પોતાની પુત્રીઓનાં લગ્ન અન્ય ગોત્રોમાં કરાવ્યાં અને પોતાના પુત્રો માટે પત્નીઓ પણ અન્ય ગોત્રોમાંથી લાવ્યો. ઈબ્સાન ઇઝરાયલમાં સાત વર્ષ ન્યાયાધીશ રહ્યો. પછી તે મૃત્યુ પામ્યો, અને તેને બેથલેહેમમાં દફનાવવામાં આવ્યો. ઈબ્સાન પછી ઝબુલૂનમાંનો એલોન દસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ રહ્યો. પછી તે મૃત્યુ પામ્યો અને તેને ઝબુલૂનના કુળપ્રદેશના આયાલોનમાં દફનાવવામાં આવ્યો. એલોન પછી પિરઆથોનના હિલ્લેલનો પુત્ર આબ્દોન ઇઝરાયલમાં ન્યાયાધીશ બન્યો. તેને ચાલીસ પુત્રો અને ત્રીસ પૌત્રો હતા. તેઓ સિત્તેર ગધેડા પર સવારી કરતા. આબ્દોન આઠ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાયાધીશ રહ્યો. તે પછી તે મૃત્યુ પામ્યો અને તેને અમાલેકીઓના ઉચ્ચપ્રદેશમાં એફ્રાઈમના કુળપ્રદેશના પિરઆથોનમાં દફનાવવામાં આવ્યો. ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું, અને તેમણે તેમને ચાલીસ વર્ષ સુધી પલિસ્તીઓને તાબે કરી દીધા. એ સમયે સોરા નગરનો માનોઆહ નામે એક માણસ હતો. તે દાનના કુળનો હતો. તેની પત્ની વંધ્યા હતી, અને તેને બાળકો નહોતાં. પ્રભુના દૂતે તેને દર્શન દઈને કહ્યું, “તું વંધ્યા છે અને તને સંતાન થતાં નથી; પણ થોડા જ સમયમાં તું ગર્ભવતી થશે અને તને પુત્ર જનમશે. તું દ્રાક્ષાસવ કે કેફી પીણું પીશ નહિં અથવા મના કરેલો ખોરાક ખાઈશ નહિ. તારો પુત્ર જન્મે તે પછી તારે એના માથાના વાળ કદી કાપવા નહિ. કારણ, તે છોકરો ગર્ભાધાનથી જ નાઝીરી તરીકે સમર્પિત થશે. તે ઇઝરાયલને પલિસ્તીઓના હાથમાંથી છોડાવવામાં અગ્રભાગ ભજવશે.” પછી સ્ત્રીએ જઈને તેના પતિને કહ્યું, “મારી પાસે એક દૈવી પુરુષ આવ્યો હતો, તેનો ચહેરો ઈશ્વરના દૂતના ચહેરા જેવો ખૂબ પ્રભાવશાળી હતો. તે ક્યાંથી આવ્યો હતો તે મેં તેને પૂછયું નહિ, તેમ તેણે મને તેનું નામ પણ કહ્યું નહિ. પણ તેણે મને એવું કહ્યું કે, ‘તું ગર્ભવતી થઈશ અને તને પુત્ર જનમશે. હવેથી તું દ્રાક્ષાસવ કે કેફી પીણું પીશ નહિ અથવા મના કરેલો ખોરાક ખાઈશ નહિ, કારણ, છોકરો તેના ગર્ભાધાનથી મરણપર્યંત નાઝીરી તરીકે સમર્પિત છે. પછી માનોઆહે પ્રભુને પ્રાર્થના કરી, “હે પ્રભુ, તમે જે દૈવી પુરુષને મોકલ્યો હતો તેને કૃપા કરીને ફરીથી અમારી પાસે મોકલો જેથી છોકરો જન્મે ત્યારે અમારે તેને માટે શું શું કરવું તે તે અમને જણાવે.” ઈશ્વરે માનોઆહની વિનંતી સાંભળી અને માનોઆહની પત્ની ખેતરમાં બેઠી હતી ત્યારે ઈશ્વરનો દૂત તેની પાસે ગયો. તે વખતે તેનો પતિ માનોઆહ તેની સાથે નહોતો. તેથી તે તરત જ દોડી ગઈ અને તેને કહ્યું, “પેલો પુરુષ જે મને પહેલાં દેખાયો હતો તેણે મને ફરીથી દર્શન દીધું છે.” માનોઆહ ઊઠીને તેની પત્નીની પાછળ પાછળ ગયો. તેણે પેલા માણસ પાસે જઈને તેને પૂછયું, “મારી પત્ની સાથે વાત કરનાર માણસ તમે જ છો?” તેણે જવાબ આપ્યો, “હા.” ત્યારે માનોઆહે કહ્યું, “તો હવે તમારાં વચનો ફળીભૂત થાય ત્યારે છોકરાએ શું શું કરવાનું છે? તેણે કેવા પ્રકારનું જીવન જીવવાનું છે?” પ્રભુના દૂતે જવાબ આપ્યો, “મેં તારી પત્નીને જે જે કહ્યું છે તેનું તે ચોક્સાઈથી પાલન કરે. તેણે દ્રાક્ષવેલાની નીપજમાંથી કંઈ ખાવાનું નથી; તેણે દ્રાક્ષાસવ કે કેફી પીણું પીવાનું નથી અથવા મના કરેલો ખોરાક ખાવાનો નથી. મેં તેને કહ્યું છે તે પ્રમાણે તેણે વર્તવાનું છે.” એ પ્રભુનો દૂત છે એવી માનોઆહને ખબર ન હોવાથી માનોઆહે તેને કહ્યું, “કૃપા કરીને જતા રહેશો નહિ. અમે તમારે માટે એક લવારું રાંધી લાવીએ.” પણ દૂતે કહ્યું, “હું રોકાઈ જાઉં, તો ય હું તમારો ખોરાક ખાવાનો નથી. છતાં તું ખોરાક તૈયાર કરવા માગે છે, તો તેનું દહન કરીને પ્રભુને તેનું અર્પણ ચડાવ.” *** માનોઆહે જવાબ આપ્યો, “અમને તમારું નામ કહો, એટલે તમારાં વચનો સાચાં પડે ત્યારે અમે તમારું સન્માન કરી શકીએ.” દૂતે કહ્યું, “તું મારું નામ કેમ જાણવા માગે છે? એ તો અદ્‍ભુત નામ છે!” તેથી માનોઆહે એક લવારું અને થોડું અનાજ લીધું, અને માનોઆહ તથા તેની પત્નીનાં દેખતાં અદ્‍ભુત કામો કરનાર પ્રભુની ખડક પરની વેદી પર તેમનું અર્પણ ચડાવ્યું. અગ્નિની જવાળાઓ વેદીમાંથી ઊંચે જતી હતી ત્યારે માનોઆહ અને તેની પત્નીએ પ્રભુના દૂતને અગ્નિની જવાળામાં થઈને આકાશમાં ચડી જતાં જોયો. માનોઆહને ત્યારે ખબર પડી કે એ તો પ્રભુનો દૂત છે. અને તેણે તથા તેની પત્નીએ ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યાં. તેમણે ફરીથી એ દૂતને જોયો નહિ. *** માનોઆહે તેની પત્નીને કહ્યું, “આપણે હવે ચોક્કસ મરી જઈશું, કારણ, આપણે ઈશ્વરનાં દર્શન કર્યાં છે.” પણ તેની પત્નીએ જવાબ આપ્યો, “પ્રભુ આપણને મારી નાખવા માગતા હોત, તો તેમણે આપણાં અર્પણ સ્વીકાર્યાં ન હોત. તેમણે આપણને આ બધું બતાવ્યું ન હોત અથવા આ સમયે આવી વાતો કહી ન હોત.” પછી એ સ્ત્રીને પુત્ર જન્મ્યો અને તેણે તેનું નામ શિમશોન પાડયું. છોકરો મોટો થયો અને પ્રભુએ તેને આશિષ આપી. હવે પ્રભુનો આત્મા તેને દાનની છાવણીમાં સોરા અને એશ્તાઓલની વચ્ચે પ્રેરણા કરવા લાવ્યો. એક દિવસે શિમશોન તિમ્ના ગયો. ત્યાં તેણે એક પલિસ્તી કન્યા જોઈ. શિમશોને ઘેર જઈને પોતાનાં માતપિતાને કહ્યું, “તિમ્નામાં મેં એક પલિસ્તી છોકરી જોઈ છે. તેની સાથે મારું લગ્ન કરાવો.” પણ તેનાં માતપિતાએ તેને પૂછયું, “તારે પત્ની મેળવવા માટે એ પરપ્રજાના પલિસ્તીઓ પાસે શા માટે જવું જોઈએ? તને આપણાં જ કુળમાંથી કે આપણા બધા લોકોમાંથી છોકરી મળતી નથી?” પણ શિમશોને તેના પિતાને કહ્યું, “મારે તો એની જ સાથે લગ્ન કરવું છે. મને તે ગમી ગઈ છે.” તેનાં માતપિતાને ખબર નહોતી કે પ્રભુ જ શિમશોનને એ માટે પ્રેરણા કરી રહ્યા હતા; કારણ, પ્રભુને પલિસ્તીઓ સામે લડવા માટે કંઈક કારણ જોઈતું હતું. એ સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા. આમ, શિમશોન અને તેનાં માતપિતા તિમ્ના ગયાં. તેઓ દ્રાક્ષવાડીઓમાં થઈને પસાર થતાં હતાં ત્યારે એક જુવાન સિંહ શિમશોન પર ત્રાડ પાડીને ત્રાટક્યો. પણ અચાનક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો, અને શિમશોને હાથમાં કોઈ હથિયાર ન હોવા છતાં એક લવારાની જેમ તે સિંહને ચીરી નાખ્યો. પણ તેણે તેનાં માતપિતાને એ વિશે કહ્યું નહિ. પછી તેણે પેલી કન્યા પાસે જઈને વાત કરી અને તે તેને બહુ ગમી. થોડા સમય બાદ તે તેની સાથે લગ્ન કરવા ગયો. પોતે મારી નાખેલા પેલા સિંહને જોવા તે રસ્તેથી ફંટાઈને ગયો અને જોયું તો સિંહના ખોળિયામાં મધમાખીઓનું ટોળું તથા મધ હતાં. તેણે પોતાના હાથે મધપૂડો તોડી લીધો અને રસ્તે ચાલતાં ચાલતાં ખાવા લાગ્યો. પછી પોતાના માતપિતા પાસે જઈને તેમને પણ થોડુંક મધ આપ્યું. તેમણે તે ખાધું, પણ તેણે તે મધ મરેલા સિંહના ખોળિયામાંથી લીધું હતું તે તેણે તેમને કહ્યું નહિ. તેના પિતા છોકરીને ઘેર ગયા, અને શિમશોને ત્યાં મિજબાની આપી. જુવાનોમાં એવું કરવાનો રિવાજ હતો. પલિસ્તીઓએ તેને જોયો, ત્યારે તેની સાથે રહેવા ત્રીસ જુવાનોને મોકલ્યા. શિમશોને તેમને કહ્યું, “હું તમને એક ઉખાણું કહીશ. લગ્નની મિજબાનીના સાત દિવસ પૂરા થયા પહેલાં તમે મને તેનો અર્થ કહેશો તો તમારામાંથી ત્રીસે જણને હું મુલાયમ અળસીરેસાનાં ત્રીસ ઝભ્ભા અને ત્રીસ જોડ વસ્ત્રો આપીશ. પણ જો તમે મને એનો અર્થ ન કહી શકો તો તમારે મને ત્રીસ ઝભ્ભા અને ત્રીસ જોડ વસ્ત્રો આપવાં પડશે.” તેમણે કહ્યું, “અમને ઉખાણું તો કહી સંભળાવ.” *** તે બોલ્યો, “ખાનારમાંથી ખોરાક નીકળ્યો; બળવાનમાંથી મીઠાશ નીકળી.” ત્રણ દિવસ થઈ ગયા પણ તેમને ઉખાણાનો ઉકેલ મળ્યો નહિ. ચોથે દિવસે તેમણે શિમશોનની પત્નીને કહ્યું, “તારા પતિને પટાવીને ઉખાણાનો અર્થ જાણી લઈને અમને જણાવ. જો તું અર્થ નહિ જણાવે, તો અમે તને અને તારા પિતાના કુટુંબને સળગાવી મારીશું. તમે તો અમને લૂંટી લેવા નિમંત્રણ આપ્યું છે, એમ ને?” તેથી શિમશોનની પત્નીએ તેની આગળ રડતાં રડતાં કહ્યું, “તને મારા પર પ્રેમ નથી; બલ્કે તું મને ધિક્કારે છે. તેં મારા દેશબધુંઓને ઉખાણું કહ્યું છે, પણ મને તેનો અર્થ જણાવ્યો નથી.” તેણે કહ્યું, “જો, મેં મારાં માતપિતાને ય તેનો અર્થ કહ્યો નથી; તો પછી તને શા માટે કહું?” મિજબાનીના સાતેય દિવસ દરમ્યાન તે તેને માટે રડતી રહી. છેવટે સાતમે દિવસે તેના દુરાગ્રહને વશ થઈ તેણે તેને અર્થ કહી દીધો. પછી તેણે તે પલિસ્તીઓને જણાવ્યો. તેથી સાતમે દિવસે સૂર્યાસ્ત પહેલાં નગરનાં માણસોએ તેને કહ્યું, “મીઠું શું છે મધ કરતાં? બળિયું શું છે સિંહ કરતાં?” શિમશોને જવાબ આપ્યો, “તમે મારી ગાયથી ખેડયું ન હોત, તો તમને તેના ઉકેલની ખબર પડી ન હોત.” એકાએક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો અને તેણે આશ્કલોનમાં જઈને ત્રીસ માણસોને મારી નાખીને તેમનાં વસ્ત્ર લૂંટી લીધાં અને ઉખાણાનો ઉકેલ બતાવનાર જુવાનોને આપ્યાં. જે કંઈ બન્યું તેને લીધે તે ક્રોધથી ધૂંઆપૂંઆં થઈ ગયો, પછી તે પોતાના પિતાને ઘેર જતો રહ્યો. વળી, તેની પત્નીને પણ તેના અણવર સાથે પરણાવી દેવાઈ. થોડાએક સમય બાદ ઘઉંની કાપણીની મોસમમાં શિમશોન પોતાની પત્નીને મળવા ગયો. તે તેને માટે એક લવારું લઈ ગયો હતો. તેણે તેના પિતાને કહ્યું, “મારે મારી પત્નીના શયનખંડમાં જવું છે.” પણ તેણે તેને અંદર જવા દીધો નહિ. તેણે શિમશોનને કહ્યું, “મને તો ખરેખર એમ લાગ્યું કે તું તેને ધિક્કારે છે, તેથી મેં તારા મિત્ર સાથે તેનાં લગ્ન કરાવી દીધાં છે. પણ એની નાની બહેન એના કરતાંયે સુંદર છે, એને બદલે, તું તેને લઈ જા.” શિમશોને કહ્યું, “હવે આ વખતે હું પલિસ્તીઓને જે કંઈ ઉપદ્રવ કરું તેની જવાબદારી મારે શિર રહેશે નહિ.” તેથી તેણે જઈને ત્રણસો શિયાળ પકડયાં. તેણે બબ્બે શિયાળ લઈને તેમની પૂંછડીઓ ભેગી બાંધી દીધી અને તેની વચમાં મશાલ ખોસી દીધી. પછી તેણે મશાલો સળગાવીને શિયાળોને પલિસ્તીઓનાં ઘઉંના ખેતરોમાં છૂટાં મૂકી દીધાં. એ રીતે તેણે ખેતરોમાં ઘઉંના પૂળા તેમજ ઊભો પાક સળગાવી મૂક્યો. ઓલિવની વાડીઓ પણ બળી ગઈ. પલિસ્તીઓએ તપાસ કરી કે એવું કામ કોણે કર્યું છે ત્યારે તેમને ખબર પડી કે શિમશોનના સસરાએ શિમશોનની પત્નીનાં લગ્ન તેના મિત્ર સાથે કરાવી દીધાં, તેથી શિમશોને એ કાર્ય કર્યું છે. તેથી પલિસ્તીઓએ જઈને તે સ્ત્રીને તથા તેના પિતાના કુટુંબને સળગાવી માર્યાં. શિમશોને તેમને કહ્યું, “તમે આ રીતે વર્ત્યા છો એમ ને! હું સમ ખાઈને કહું છું કે હું એનો બદલો ન વાળું ત્યાં સુધી જંપીને બેસવાનો નથી.” તે તેમના પર ઝનૂનથી ત્રાટક્યો અને તેમનામાંથી ઘણાનો સંહાર કર્યો. પછી તે ત્યાંથી એટામના ખડકની ગુફામાં જઈને રહ્યો. પલિસ્તીઓએ યહૂદાના કુળપ્રદેશમાં આવીને છાવણી નાખી અને લેહી નગર પર હુમલો કર્યો. યહૂદાના માણસોએ તેમને પૂછયું, “તમે અમારા પર શા માટે હુમલો કરો છો?” તેમણે જવાબ આપ્યો, “અમે શિમશોનને કેદ કરી લઈ જવા આવ્યા છીએ. તેણે અમારી જેવી દુર્દશા કરી છે તેવી જ અમે તેની કરવા માંગીએ છીએ.” તેથી યહૂદાના આ ત્રણ હજાર માણસોએ એટામના ખડકની ગુફાએ જઈને શિમશોનને કહ્યું, “તને ખબર નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? તો તેં અમને આ શું કર્યું?” તેણે જવાબ આપ્યો, “જેવું તેમણે મને કર્યું, તેવું જ મેં તેમને કર્યું છે.” તેમણે તેને કહ્યું, “અમે અહીં તને બાંધીને લઈ જવા આવ્યા છીએ, જેથી અમે તને તેમના હાથમાં સોંપી દઈએ.” શિમશોને કહ્યું, “તમે મને વચન આપો કે તમે પોતે મને મારી નાખશો નહિ.” તેમણે કહ્યું, “ભલે, અમે માત્ર તને બાંધીને તેમના હાથમાં સોંપી દઈશું. અમે તને મારી નાખીશું નહિ.” તેથી તેઓ તેને નવા દોરડાંથી બાંધીને એ ખડકેથી લઈ આવ્યા. જ્યારે તેઓ લેહી પહોંચ્યા, ત્યારે પલિસ્તીઓ તેની સામે હોકારો કરતા અને દોડતા આવ્યા. એકાએક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો અને તેના હાથે અને બાવડે બાંધેલાં દોરડાં જાણે બળેલા અળસીરેસાનાં દોરડાં હોય તેમ તેણે તે તોડી નાખ્યાં. પછી તેને તાજેતરમાં મરી ગયેલા એક ગધેડાનું જડબું મળી આવ્યું. તેણે તે ઉપાડીને તેનાથી હજાર માણસોને મારી નાખ્યા. તેથી શિમશોને ગીત ગાયું, “ગધેડાના જડબાથી મેં માર્યા હજાર! ગધેડાના જડબાથી ઢગલા કર્યા અપાર! તે પછી તેણે તે જડબું ફેંકી દીધું. જ્યાં આ બનાવ બન્યો તે સ્થળનું નામ રામાથ-લેહી (જડબાની ટેકરી) પડયું. પછી શિમશોન ખૂબ જ તરસ્યો થયો. તેથી તેણે પ્રભુને વિનંતી કરીને કહ્યું, “તમે મને આ મોટો વિજય આપ્યો છે; અને હવે હું તરસ્યે માર્યો જઈને આ પરપ્રજા પલિસ્તીઓના હાથમાં પડીશ?” ત્યારે ઈશ્વરે ત્યાં લેહીમાં એક ખાડો પાડયો અને તેમાંથી પાણી નીકળી આવ્યું. શિમશોને તે પાણી પીધું ત્યારે તેને સ્ફૂર્તિ આવી અને તે સ્વસ્થ થવા લાગ્યો. તેથી તે ઝરણાનું નામ એન હાક્કારે (પોકારનારનું ઝરણું) પડયું. આજે પણ તે ત્યાં લેહીમાં હયાત છે. પલિસ્તીઓ દેશ પર શાસન ચલાવતા હતા ત્યારે શિમશોને વીસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ તરીકે આગેવાની આપી. એક દિવસે શિમશોન પલિસ્તીઓના ગાઝા નગરમાં ગયો. ત્યાં તેને એક વેશ્યાનો ભેટો થઈ ગયો અને તેણે તેની સાથે સમાગમ કર્યો. ગાઝાના લોકોને ખબર પડી કે શિમશોન ત્યાં છે, તેથી તેઓ તે જગ્યાને ઘેરી વળ્યા અને આખી રાત તેની રાહ જોતા નગરના દરવાજે બેસી રહ્યા. તેઓ આખી રાત કંઈ કર્યા વિના બેસી રહ્યા. તેમના મનમાં એમ હતું કે, “આપણે સવાર સુધી રાહ જોઈશું અને પછી તેને મારી નાખીશું.” પણ શિમશોન માત્ર મધરાત સુધી જ પથારીમાં રહ્યો. પછી તે ઊઠયો અને નગરના દરવાજાને પકડીને તેને તેનાં કમાડ, બારસાખો અને લાકડાનાં દાંડા સહિત આખો ખેંચી કાઢયો. પછી તે તેને પોતાના ખભા પર મૂકીને અને હેબ્રોનની સામેના પર્વતના શિખર પર લઈ ગયો. તે પછી શિમશોન સોરેક ખીણમાં રહેતી દલીલા નામે એક સ્ત્રીના પ્રેમમાં પડયો. પલિસ્તીયાના પાંચ રાજાઓએ દલીલા પાસે જઈને તેને કહ્યું, “તું શિમશોનને પટાવીને પૂછી લે કે તે આટલો બળવાન શાને કારણે છે. જેથી અમે તેને હરાવીને બાંધી દઈએ અને તેને નિ:સહાય બનાવી દઈએ. અમારામાંથી પ્રત્યેક જણ તને ચાંદીના અગિયારસો સિક્કા આપશે.” તેથી દલીલાએ શિમશોનને પૂછયું, “તમને ક્યાંથી બળ પ્રાપ્ત થાય છે તે કૃપા કરી મને કહો. કોઈ તમને બાંધીને લાચાર બનાવી દેવા માગતું હોય તો તે કેવી રીતે તેમ કરી શકે?” શિમશોને જવાબ આપ્યો, “સુકાઈ ન હોય તેવી બાણની સાત તાજી પણછોથી કોઈ મને બાંધે તો મારું બળ ચાલ્યું જાય અને હું સામાન્ય માણસ જેવો બની જઉં.” તેથી પલિસ્તી રાજાઓએ સુકાઈ ન હોય તેવી બાણની સાત તાજી પણછો દલીલાને લાવી આપી અને તેણે શિમશોનને બાંધી દીધો. તેણે કેટલાક માણસોને બીજા એક ઓરડામાં સંતાડી રાખ્યા હતા. તેથી તેણે બૂમ પાડી, “શિમશોન! પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” પણ અગ્નિ અડક્તાની સાથે અળસીરેસાની દોરી તૂટી જાય તેમ તેણે પણછો તોડી નાખી. આમ, તેમને તેના બળનું રહસ્ય શું છે તેની ખબર પડી નહિ. દલીલાએ શિમશોનને કહ્યું, “તમે તો મને છેતરો છો અને સાચી વાત કહેતા નથી. તમને કોઈ કેવી રીતે બાંધી શકે તે કૃપા કરી મને કહો.” તેણે તેને કહ્યું, “કદી વપરાયાં ન હોય એવા નવાં દોરડાથી તેઓ મને બાંધે તો મારું બળ ચાલ્યું જાય, અને હું સામાન્ય માણસ જેવો બની જઉં.” તેથી દલીલાએ નવાં દોરડાં મેળવીને શિમશોનને બાંધ્યો. પછી તેણે બૂમ પાડી, “શિમશોન, પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” માણસો બીજા એક ખંડમાં રાહ જોતા સંતાયા હતા. પણ તેણે સૂતરના દોરાની જેમ એ દોરડાંને પોતાના હાથ પરથી તોડીને ફેંકી દીધાં. દલીલાએ શિમશોનને કહ્યું, “તમે હજી મને છેતરી રહ્યા છો અને સાચું કહેતા નથી. તમને કેવી રીતે બાંધી શકાય તે કહો.” તેણે તેને કહ્યું, “જો તું મારા વાળની સાત લટોને હાથશાળના તાણા વડે ગૂંથે અને તેમને એક ખીલા વડે તાણીને બાંધી દે તો મારું બળ ચાલ્યું જાય અને હું એક સામાન્ય માણસ જેવો બની જઉં.” પછી દલીલાએ તેને થાબડીને સુવાડી દીધો અને તેના વાળની સાત લટોને તાણા વડે ગૂંથી લીધી. તેણે તે ખીલા વડે તાણીને બાંધી દીધી અને પછી બૂમ પાડી, “શિમશોન, પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” શિમશોન જાગી ઊઠયો અને તેણે તાણા સહિત હાથશાળ અને ખીલાને ખેંચી કાઢયાં. તેથી તેણે તેને કહ્યું, “તમને મારામાં ભરોસો જ નથી તો પછી મારા પર પ્રેમ કરો છે એમ શી રીતે કહેવાય? તમે મને ત્રણ ત્રણ વાર છેતરી છે, અને તમને ક્યાંથી બળ પ્રાપ્ત થાય છે તે મને હજી જણાવ્યું નથી.” તેણે તેને દિનપ્રતિદિન હઠેઠથી પૂછયા જ કર્યું. તેનાથી તે એવો હેરાન પરેશાન થઈ ગયો કે, છેવટે તેણે તેને સાચું રહસ્ય જણાવી દીધું. તેણે કહ્યું, “મારા માથાના વાળ ક્યારેય કાપવામાં આવ્યા નથી. મારા ગર્ભાધાનથી હું ઈશ્વરને નાઝીરી તરીકે સમર્પિત કરાયેલો છું. જો મારા વાળ કાપી નાખવામાં આવે તો મારું બળ ચાલ્યું જાય, અને હું સામાન્ય માણસ જેવો બની જઉં.” દલીલાને ખ્યાલ આવી ગયો કે તેણે તેને સાચી વાત જણાવી દીધી છે. તેથી તેણે પલિસ્તીયાના રાજાઓને સંદેશો મોકલ્યો, “હવે એક વધુ વખત આવી જાઓ. તેણે મને સાચી વાત કહી દીધી છે.” પછી તેઓ પોતાની સાથે પૈસા લઈને આવ્યા. દલીલાએ શિમશોનને થાબડીને ખોળામાં સુવાડી દીધો અને પછી એક માણસને બોલાવ્યો, જેણે તેના વાળની લટો કાપી નાખી. પછી દલીલા તેને હેરાન કરવા લાગી. કારણ, તેનામાંથી તેનું બળ ચાલ્યું ગયું હતું. પછી તેણે બૂમ પાડી, “શિમશોન, પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” તે જાગી ઊઠયો, અને તેણે માની લીધું કે, “હું પહેલાની જેમ ઝટકો મારીને છૂટો થઈ જઈશ.” પણ તેને ખબર નહોતી કે પ્રભુએ હવે તેને તજી દીધો છે. પલિસ્તીઓએ તેને પકડયો અને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને તાંબાની સાંકળોએ બાંધીને ગાઝા લઈ ગયા અને કેદમાં પૂરીને તેને ઘંટીએ દળવા બેસાડયો. છતાં તેના મૂંડી નાખેલા વાળ ફરી ઊગવા લાગ્યા. પલિસ્તી રાજાઓ તેમના દેવ દાગોનને બલિદાન ચડાવવા અને ઉત્સવ મનાવવા એકત્ર થયા. તેમણે આવું ગીત ગાયું: “આપણા દેવે આપણને આપણા શત્રુ શિમશોન પર વિજય પમાડયો છે!” તેઓ ખૂબ આનંદમાં આવી ગયા હતા અને તેમણે કહ્યું, “શિમશોનને બોલાવો કે આપણે તેનો તમાશો જોઈએ!” તેઓ તેને જેલમાંથી બહાર કાઢી લાવ્યા અને તેની પાસે તમાશો કરાવ્યો, અને તેને બે થાંભલા વચ્ચે ઊભો રાખ્યો. તેને જોઈને લોકો તેમના દેવનાં ગુણગાન ગાવા લાગ્યા, “આપણા દેશને ખેદાનમેદાન કરી મૂકનાર અને આપણા ઘણા લોકોને મારી નાખનાર આપણા શત્રુ પર આપણા દેવે આપણને વિજય પમાડયો છે!” *** પોતાને હાથ પકડીને દોરી જનાર છોકરાને શિમશોને કહ્યું, “આ મકાનનો જેના પર આધાર છે એ થાંભલાઓને મને અડકવા દે. મારે તેમનો ટેકો લેવો છે.” મકાન તો સ્ત્રીપુરુષોથી ચિક્કાર હતું. પેલા પાંચેય પલિસ્તી રાજાઓ ત્યાં જ હતા. મકાનના ધાબા પરથી આશરે ત્રણેક હજાર સ્ત્રીપુરુષો શિમશોનનો તમાશો જોઈ રહ્યા હતા. પછી શિમશોને પ્રાર્થના કરી, “હે પ્રભુ પરમેશ્વર, મને સંભારો. હે ઈશ્વર, મને આટલી એક વાર બળ આપો કે મારી બે આંખો ફોડી નાખવાના બદલામાં હું પલિસ્તીઓ પર એક સામટું વેર વાળું.” તેથી શિમશોને તે મકાનના ટેકારૂપ વચ્ચેનાં બે થાંભલાઓ પકડયા. પ્રત્યેક થાંભલા પર એકએક હાથ મૂકીને તેણે ધક્કો લગાવ્યો, અને પૂરા બળથી ધક્કો લગાવ્યો અને પાંચ રાજાઓ તથા અન્ય સર્વ પર મકાન તૂટી પડયું. શિમશોને પોતાના જીવન દરમિયાન મારી નાખેલા માણસો કરતાં તેના મૃત્યુ સમયે તેણે વધારે માણસો મારી નાખ્યા. તેના ભાઈઓ અને તેના અન્ય કુટુંબીજનો આવીને તેનો મૃતદેહ લઈ ગયા. તેમણે તેને સોરા અને એશ્તાઓલ વચ્ચે આવેલી તેના પિતા માનોઆહની કબરમાં લઈ જઈને દફનાવ્યો. તે વીસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ તરીકે રહ્યો. હવે મિખા નામે એક માણસ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં વસતો હતો. તેણે પોતાની માતાને કહ્યું, “તારા ચાંદીના અગિયારસો સિક્કા ચોરાઈ ગયા ત્યારે તેં તે ચોરી જનારને મારા સાંભળતાં શાપ દીધો હતો. હવે આ રહ્યા એ પૈસા. મેં જ તે લીધા હતા.” તેની માતાએ કહ્યું, “બેટા, પ્રભુ તને આશિષ આપો!” તેણે તે પૈસા પોતાની માતાને પાછા આપી દીધા, એટલે તેની મા બોલી, “મારા પુત્ર પર શાપ ન ઊતરે તે માટે લાકડાની કોતરેલી અને ધાતુની મઢેલી મૂર્તિ બનાવવા હું આ ચાંદી પ્રભુને સમર્પિત કરું છું. તો હવે હું તને આ ચાંદીના સિક્કા પાછા આપી દઇશ.” આમ, તેણે તે પૈસા તેની માને પાછા આપ્યા. તેની માએ તેમાંથી બસો ચાંદીના સિક્કા લઈને સોનીને આપ્યા. સોનીએ લાકડામાંથી કોતરેલી મૂર્તિને ચાંદીથી મઢી લીધી. તેને મિખાના ઘરમાં મૂકવામાં આવી. આ માણસ મિખાની પાસે તેનું આગલું પૂજાસ્થાન હતું. તેણે કેટલીક મૂર્તિઓ અને એફોદ બનાવીને તેના યજ્ઞકાર તરીકે પોતાના એક પુત્રની પ્રતિષ્ઠા કરી. એ સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, પ્રત્યેક માણસ પોતાને યોગ્ય લાગે તેમ કરતો. એ સમયે યહૂદિયાના બેથલેહેમ નગરમાં એક લેવી વસતો હતો. વસવાનું કોઈ બીજું સ્થળ શોધી લેવા તે બેથલેહેમથી નીકળ્યો. મુસાફરી કરતાં કરતાં તે એફ્રાઈમના પહાડીપ્રદેશમાં મિખાને ત્યાં આવ્યો. મિખાએ તેને પૂછયું, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો, “હું યહૂદિયાના બેથલેહેમ નગરમાંથી આવેલો લેવી છું. હું વસવા માટેનું કોઈ સ્થાન શોધું છું.” મિખાએ કહ્યું, “મારી સાથે રહી યજ્ઞકાર થા. હું તને વર્ષે ચાંદીના દસ સિક્કા, થોડાં વસ્ત્ર અને ખાવાનું આપીશ. લેવી મિખા સાથે રહેવા માટે સંમત થયો અને તે તેના એક પુત્ર જેવો બની ગયો. મિખાએ યજ્ઞકાર તરીકે તેની પ્રતિષ્ઠા કરી, અને તે મિખાના ઘરમાં રહ્યો. મિખા બોલ્યો, “હવે મારા યજ્ઞકાર તરીકે લેવીવંશી માણસ હોવાથી પ્રભુ મારે માટે બધું યથાયોગ્ય કરશે.” એ સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો. એ દિવસોમાં દાનનું કુળ વસવાટ માટે પોતાને ફાળે આવતા પ્રદેશની શોધમાં હતું. કારણ, ઇઝરાયલનાં અન્ય કુળોની સાથે તેમને પોતાના હિસ્સા પેટે કોઈ પ્રદેશ મળ્યો નહોતો. તેથી દાનના કુળના લોકોએ કુળના સર્વ કુટુંબોમાંથી પાંચ શૂરવીર માણસોને પસંદ કર્યા અને સોરા તથા એશ્તાઓલ નગરોથી તેમને દેશનું સંશોધન કરી બાતમી મેળવી લાવવાની સૂચના આપી મોકલ્યા. તેઓ એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવી પહોંચ્યા અને મિખાને ત્યાં ઊતર્યા. તેઓ ત્યાં હતા ત્યારે તેમણે જુવાન લેવીની બોલી પારખી લીધી, અને તેમણે તેની પાસે જઈને પૂછયું, “તને અહીં કોણ લાવ્યું? તું અહીં શું કરે છે? તને અહીં શું મળે છે?” તેણે જવાબ આપ્યો, “મારે મિખા સાથે વ્યવસ્થા થયેલી છે. યજ્ઞકાર તરીકે સેવા કરવાના બદલામાં તે મને પગાર ચૂકવે છે.” તેમણે તેને પૂછયું, “મહેરબાની કરી ઈશ્વરને પૂછી જો કે અમારી મુસાફરી સફળ થશે કે નહિ.” યજ્ઞકારે જવાબ આપ્યો, “તમે ચિંતા રાખ્યા વિના જાઓ. પ્રભુ તમને મુસાફરીમાં દોરવણી આપશે.” તેથી પેલા પાંચ માણસો ત્યાંથી નીકળીને લાઈશ નગરમાં ગયા. તેમણે ત્યાં જઈને જોયું તો ત્યાંના લોકો સિદોનીઓની જેમ નિશ્ર્વિંતપણે રહેતા હતા. તેઓ શાંતિપ્રિય અને નિશ્ર્વિંત હતા અને કોઈની સાથે તેમને વિખવાદ નહોતો, કારણ, દેશ સમૃદ્ધ હોવાથી તેમને કશાની ખોટ નહોતી. તેઓ સિદોનીઓથી ઘણે દૂર વસતા હતા અને તેમને બીજા લોકો સાથે કોઈ વ્યવહાર નહોતો. એ પાંચ માણસો સોરા અને એશ્તાઓલમાં પાછા ફર્યા ત્યારે તેમના દેશબાંધવોએ તેમને પૂછયું કે, “તમે શી તપાસ કરી લાવ્યા છો?” તેમણે જવાબ આપ્યો, “ચાલો, આપણે લાઈશ પર હુમલો કરીએ. અમે દેશ જોયો છે અને તે ઘણો સમૃદ્ધ છે. અહીં આમને આમ બેસી રહેશો નહિ. ઊઠો, ઉતાવળે ઊપડો અને તેને જીતી લો! તમે ત્યાં પહોંચશો ત્યારે તમને ખબર પડશે કે લોકો જરાય શંકાશીલ નથી. એ તો મોટો દેશ છે અને ત્યાં કશાની ખોટ નથી. ઈશ્વરે તમને તે સોંપી દીધો છે.” તેથી દાનના કુળમાંથી છસો માણસો સોરા અને એશ્તાઓલથી યુદ્ધને માટે સજ્જ થઈને નીકળ્યા. તેમણે યહૂદિયાના કિયાર્થ-યઆરીમની પશ્ર્વિમે જઈને છાવણી કરી. એટલા માટે આજે પણ એ સ્થળ ‘માહનેહ-દાન’ (દાનની છાવણી) તરીકે ઓળખાય છે. ત્યાંથી આગળ વધીને તેઓ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મિખાને ઘેર આવ્યા. પછી લાઈશની આસપાસના પ્રદેશમાં જાસૂસી કરવા ગયેલા પેલા પાંચ માણસોએ તેમના સાથીદારોને કહ્યું, “અહીં એક ઘરમાં ચાંદીએ મઢેલી એક લાકડાની કોતરેલી મૂર્તિ છે એ તમે જાણો છો? ત્યાં બીજી મૂર્તિઓ તથા એફોદ પણ છે. એમનું આપણે શું કરવું? એ વિષે તમારો શો મત છે?” પછી જુવાન લેવી જ્યાં રહેતો હતો ત્યાં, એટલે મિખાના ઘરમાં તેઓ ગયા અને લેવીને ખબરઅંતર પૂછયા. દરમ્યાનમાં, દાનના કુળના યુદ્ધને માટે સજ્જ થયેલા પેલા છસો માણસો તો દરવાજે જ ઊભા હતા. પાંચ માણસો તો સીધા ઘરમાં પેસી ગયા અને ચાંદીએ મઢેલી લાકડાની કોતરેલી મૂર્તિ, અન્ય મૂર્તિઓ તથા એફોદ લઈ આવ્યા. પેલો યજ્ઞકાર તો દરવાજે છસો શસ્ત્રસજિત માણસો સાથે જ ઊભો હતો. પેલા માણસોએ મિખાના ઘરમાં જઈને ચાંદીમઢિત લાકડાની કોતરેલી મૂર્તિઓ તથા એફોદ લઈ લીધાં ત્યારે યજ્ઞકારે કહ્યું, “તમે આ શું કરો છો?” તેમણે તેને કહ્યું, “શાંત રહે, એક શબ્દ પણ બોલીશ નહિ. અમારી સાથે આવીને અમારો ગુરુ તથા યજ્ઞકાર બન. એક માણસના જ કુટુંબના યજ્ઞકાર બનવા કરતાં ઇઝરાયલીઓના એક આખા કુળના યજ્ઞકાર થવું તારે માટે સારું નથી?” એનાથી યજ્ઞકાર મનમાં ખુશ થઈ ગયો. તેથી તે એફોદ, કોતરેલી મૂર્તિ અને અન્ય મૂર્તિઓ લઈને તેમની સાથે ગયો. તેઓ ત્યાંથી પાછા વળીને ઊપડયા અને તેમનાં બાળકો, ઢોરઢાંક અને સર્વ સંપત્તિ મોખરે રાખવામાં આવ્યાં હતાં. મિખાના ઘરથી તેઓ મુસાફરી કરતાં કરતાં થોડે દૂર નીકળી ગયા ત્યારે મિખાએ તેના પડોશીઓને લડવાને માટે બોલાવ્યા. તેમણે દાનના કુળના લોકોને પકડી પાડયા, અને તેમને પડકાર્યા. દાનના વંશજોએ પાછા વળીને મિખાને પૂછયું, “શું છે? આ ટોળું લઈને કેમ આવ્યો છે?” મિખાએ જવાબ આપ્યો, “તમે મારા યજ્ઞકારને અને મારા બનાવેલા દેવોને તો લઈ ચાલ્યા છો, પછી મારી પાસે રહ્યું શું? અને છતાં તમે પાછા એમ પૂછો છો કે, ‘શું છે?” દાનના વંશજોએ તેને કહ્યું, “હવે બકવાટ બંધ કર, નહિ તો આ લોકોનો પિત્તો જશે તો હુમલો કરીને તને અને તારા આખા કુટુંબને જાનથી મારી નાખશે.” એમ બોલીને દાનવંશીઓએ આગળ ચાલવા માંડયું. મિખાએ જોયું કે તેઓ તેના કરતાં વધારે બળવાન છે ત્યારે તે પાછો વળીને ઘેર આવ્યો. દાનવંશીઓ મિખાએ બનાવેલા દેવોને તથા તેના યજ્ઞકારને લઈ ગયા ત્યાર પછી તેમણે લાઈશ પર એટલે તેના શાંતિપ્રિય અને નિશ્ર્વિંત લોકો પર હુમલો કર્યો. તેમણે તે નગરમાં ક્તલ ચલાવી અને તેને આગ ચાંપી. તેમની વહારે આવનાર કોઈ નહોતું. કારણ, તે સિદોનથી ઘણે દૂર હતું અને બીજા લોકો સાથે તેમને કંઈ વ્યવહાર નહોતો. બેથ-રહોબ જે ખીણમાં હતું તે જ ખીણમાં તે નગર હતું. દાનવંશીઓએ તે નગરને ફરી બાંધ્યું અને ત્યાં જ વસવાટ કર્યો. ઇઝરાયલના પુત્ર, પોતાના પૂર્વજ દાનના નામ પરથી તેમણે તેનું નામ દાન પાડયું, તેનું મૂળ નામ તો લાઈશ હતું. દાનવંશીઓએ પૂજા કરવા માટે એક મૂર્તિ સ્થાપી અને મોશેના પુત્ર ગેર્શોમનો પુત્ર યોનાથાન દાનવંશીઓના યજ્ઞકાર તરીકે સેવા આપતો હતો. લોકોનો દેશનિકાલ થયો તે સમય સુધી યોનાથાનના વંશજો દાનવંશીઓના યજ્ઞકાર તરીકે કામ કરતા રહ્યા. પ્રભુનો મુલાકાતમંડપ શિલોમાં રહ્યો ત્યાં સુધી મિખાની મૂર્તિ ત્યાં દાનમાં કાયમ રહી. ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો એ સમયે એફ્રાઈમના પહાડી પ્રદેશના છેવાડે એક લેવી રહેતો હતો. તેણે યહૂદિયાના બેથલેહેમમાંથી એક યુવતીને પોતાની ઉપપત્ની કરી લીધી. પણ તે બેવફા બનીને યહૂદિયાના બેથલેહેમમાં પોતાના પિતાને ઘેર જતી રહી અને ત્યાં ચાર માસ રહી. એ માણસે તેને પ્રેમપૂર્વક સમજાવીને પાછી લઈ આવવા માટે તેની પાસે જવાનો નિર્ણય કર્યો. તેણે પોતાની સાથે પોતાનો નોકર અને બે ગધેડાં લઈ લીધાં. પેલી યુવતી તેને તેના પિતાના ઘરમાં લઈ ગઈ, અને જ્યારે તેના પિતાએ તેને જોયો ત્યારે તેણે તેનો આનંદથી આવકાર કર્યો. તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને રહેવાનો આગ્રહ કર્યો, તેથી તે ત્યાં ત્રણ દિવસ રહ્યો. તેમણે ખાધુંપીધું અને રાતે સૂતા. ચોથે દિવસે વહેલી સવારે ઊઠીને તેઓ ત્યાંથી જવા તૈયાર થયાં. પણ યુવતીના પિતાએ લેવીને કહ્યું, “પહેલાં થોડું ખાઈ લો. એથી તમને તાજગી રહેશે; પછી તમે તમારે જજો” તેથી બે માણસોએ સાથે બેસીને ખાધુંપીધું. પછી યુવતીના પિતાએ તેને કહ્યું, “મારું માનો તો રાત અહીં જ ગાળો અને તમારા દિલને ખુશ કરો.” લેવી તો જવા માટે તૈયાર થઈ ગયો હતો. પણ તેના સસરાએ તેને આગ્રહ કર્યો, તેથી તે ત્યાં એક વધારે રાત રોકાઈ ગયો. પાંચમે દિવસે વહેલી સવારે તે જવા તૈયાર થયો, પણ યુવતીના પિતાએ કહ્યું, “થોડુંક ખાઈ લો તો સારું, અને મોડેથી જજો.” પછી બે માણસો સાથે જમવા બેઠા. ફરી પાછા પેલો માણસ, તેની ઉપપત્ની અને નોકર જવા તૈયાર થયાં, ત્યારે તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને કહ્યું, “દિવસ આથમવાની તૈયારી છે, અને સાંજ પડવા આવી છે. તો હવે રાત અહીં જ રોકાઈ જાઓ. હવે અંધારું થઈ જશે. તેથી અહીં જ રોકાઈ જાઓ, અને તમારા દિલને ખુશ કરો. કાલે સવારે વહેલા ઊઠીને તમારે ઘેર જજો.” પણ પેલો માણસ ત્યાં રાત રહેવા ઇચ્છતો નહોતો, તેથી તે તથા તેની ઉપપત્ની પોતાને રસ્તે પડયાં. તેમની પાસે જીન બાંધેલાં બે ગધેડાં હતાં. જ્યારે તેઓ યબૂસ (એટલે યરુશાલેમ) પહોંચ્યાં ત્યારે દિવસ ઘણો નમી ગયો હતો. તેથી નોકરે પોતાના માલિકને કહ્યું, “આપણે આ યબૂસીઓના નગરમાં જ રાત રોકાઈ જઈશું?” *** પણ તેના માલિકે કહ્યું, “જ્યાં ઇઝરાયલીઓ વસતા નથી એવા શહેરમાં આપણે નહિ રહીએ. આપણે ત્યાંથી પસાર થઈશું અને થોડેક આગળ જઈને ગિબ્યા કે રામામાં જઈને રાત રહીશું.” *** તેથી તેઓ યબૂસ વટાવીને આગળ વયા. તેઓ બિન્યામીનના કુળપ્રદેશના ગિબ્યામાં પહોંચ્યા ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો. તેથી તેઓ રાતવાસા માટે ગિબ્યા તરફ વળ્યાં, નગરમાં જઈને તેઓ ચોકમાં બેઠાં, પણ કોઈ તેમને રાતવાસા માટે પોતાને ઘેર લઈ ગયું નહિ. તેઓ ત્યાં બેઠાં હતાં તેવામાં પોતાનું દિવસભરનું કામ પૂરું કરીને એક વૃદ્ધ માણસ ખેતરમાંથી આવ્યો. આમ તો તે મૂળ એફ્રાઈમના પહાડીપ્રદેશનો રહેવાસી હતો, પણ અત્યારે ગિબ્યામાં રહેતો હતો. ગિબ્યામાં બાકીના લોકો તો બિન્યામીનના કુળના હતા. પેલા વૃદ્ધ માણસે નગરચોકમાં એ મુસાફરને જોઈને તેને પૂછયું, “તમે ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો?” લેવીએ જવાબ આપ્યો, “અમે યહૂદિયાના બેથલેહેમથી આવી રહ્યાં છીએ. હું તો એફ્રાઈમના પહાડીપ્રદેશના છેક છેડાના ભાગમાં વસું છું. અત્યારે અમે પ્રભુના ઘર તરફ જઈ રહ્યાં છીએ. જો કે અમારાં ગધેડાંને ખાવા માટે ચંદી અને ચારો છે અને મારી ઉપપત્ની માટે, મારે માટે તથા મારા નોકરને માટે રોટલી તથા દ્રાક્ષાસવ છે અને અમને કશાની ખોટ નથી તો પણ કોઈએ મને પોતાના ઘરમાં આશ્રય આપ્યો નથી.” પેલા વૃદ્ધ માણસે કહ્યું, “તમે મારે ઘેર પધારો! તમારે જે જોઈએ તે બધાંની જવાબદારી હું ઉપાડીશ. પણ અહીં ચોકમાં રાત ગાળશો નહિ!” તેથી તે તેમને પોતાને ઘેર લઈ ગયો. તેણે ગધેડાંને ચારો નીર્યો. તેના મહેમાનોએ પોતાના પગ ધોયા અને પછી જમવા બેઠા. તેઓ આનંદપ્રમોદમાં હતા એવામાં નગરના કેટલાક દુષ્ટ માણસો આવ્યા, એ ઘરને ઘેરી વળ્યા અને બારણું ખટખટાવા લાગ્યા. તેમણે પેલા વૃદ્ધ માણસને કહ્યું, “તારી સાથે આજે તારા ઘરમાં આવેલા માણસને બહાર કાઢ! અમે તેની સાથે જાતીય સંબંધ કરવા માગીએ છીએ!” પરંતુ એ વૃદ્ધ માણસે બહાર જઈને તેમને કહ્યું, “ના, મિત્રો, એવું દુષ્ટ અને અનૈતિક કામ કરશો નહિ. કારણ, આ માણસ મારા આશ્રયે આવ્યો છે. જુઓ, અહીં આ તેની ઉપપત્ની છે તેમજ મારી કુંવારી પુત્રી છે. હું હમણાં જ તેમને લાવું છું, અને તમે તેમને લઈ જાઓ. તમારે તેમની સાથે જે વર્તાવ કરવો હોય તે કરો. પણ તમે આ માણસની સાથે એવું ભયંકર દુષ્ટ કામ કરશો નહિ!” પણ પેલા માણસોએ એનું કહેવું ગણકાર્યું નહિ. તેથી લેવીએ પોતાની ઉપપત્નીને બહાર મોકલી. તેમણે તેના પર બળાત્કાર કર્યો અને છેક સવાર થતાં સુધી આખી રાત તેના પર અત્યાચાર કર્યો. સવારે એ સ્ત્રી પોતાનો પતિ જ્યાં હતો ત્યાં એ વૃદ્ધ માણસને ત્યાં આવી અને બારણા આગળ ઢળી પડી. અજવાળું થયું ત્યારે તે હજી ત્યાં જ પડેલી હતી. એ સવારે તેના પતિએ પોતાને રસ્તે જવા બારણું ખોલ્યું તો બારણું ખોલાવવા માટે લંબાવેલા હાથ સાથે તેની પત્ની ઘરની સામે પડી હતી. તેણે કહ્યું, “ઊઠ, ચાલ, આપણે જતા રહીએ.” પણ કંઈ પ્રત્યુત્તર મળ્યો નહિ. તેથી તેણે તેને ગધેડા પર મૂકી અને પછી તે પોતાને ઘેર જવા ઉપડયો. તે ઘેર પહોંચ્યો એટલે તેણે ઘરમાં જઈને એક છરો લીધો. પછી તેણે પોતાની ઉપપત્નીના શરીરના બાર ટુકડા કરીને ઇઝરાયલનાં બારેય કુળોને પ્રત્યેક કુળ પર એકએક ટુકડો મોકલી આપ્યો. એ જોઈને સૌ બોલી ઊઠયા, “આપણે ક્યારેય આવું સાંભળ્યું નથી! ઇઝરાયલીઓ ઈજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારથી કદી આવ્યું બન્યું નથી! આનું કંઈક કરવું જોઈએ! પણ શું કરવું?” ઉત્તરમાં દાનથી દક્ષિણે બેરશેબા સુધી અને પૂર્વમાં છેક ગિલ્યાદના પ્રાંતમાંથી સર્વ ઇઝરાયલીઓએ એ પડકાર ઝીલી લીધો. તેઓ સૌ મિસ્પામાં પ્રભુ સમક્ષ એક મને એકત્ર થયા. ઈશ્વરના લોકની આ સભામાં ઇઝરાયલના બધાં કુળોના આગેવાનો હાજર હતા. અને ત્યાં પાયદળના ચાર લાખ સૈનિકો હતા. દરમ્યાનમાં, બિન્યામીનના કુળના લોકોએ સાંભળ્યું કે બાકીના બીજા બધા ઇઝરાયલીઓ મિસ્પામાં એકત્ર થયા છે. ઇઝરાયલીઓએ પૂછયું, “હવે અમને કહો કે આ ગુનાઈત કાર્ય કેવી રીતે થયું?” જેની ઉપપત્નીનું ખૂન થયું હતું તે લેવીએ જવાબ આપ્યો, “મારી ઉપપત્ની અને હું, અમે રાતવાસા માટે બિન્યામીનના કુળપ્રદેશના ગિબ્યામાં ગયાં હતાં. ગિબ્યાના માણસો મને પકડી જવા આવ્યા અને ઘરને રાત્રે ઘેરી વળ્યા. તેમનો ઇરાદો મને મારી નાખવાનો હતો; પણ એને બદલે, તેમણે મારી ઉપપત્ની પર બળાત્કાર કર્યો અને તે મૃત્યુ પામી. મેં તેના શરીરના ટુકડા કરી ઇઝરાયલનાં બારેય કુળોના પ્રત્યેક કુળને એકએક ટુકડો મોકલી આપ્યો. કારણ, આ લોકોએ આપણી વચમાં આવું શરમજનક અને અપમાનજનક કામ કર્યું છે. અહીં એકઠા થયેલા સૌ ઇઝરાયલીઓ હવે આનો ફેંસલો કરો.” સર્વ લોકો એકીસાથે ઊભા થઈ ગયા અને બોલ્યા, “આપણામાંનો કોઈ, પછી તે તંબુમાં રહેતો હોય કે ઘરમાં પણ પોતાને ઘેર ન જાય. આપણે આમ કરીએ: આપણે ગિબ્યા પર હુમલો કરવા માટે પાસાં ફેંકીએ. આપણામાંથી દસમા ભાગના લોકો એટલે, ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી દર સોની ટુકડીમાંથી દસદસ, દર હજારની ટુકડીમાંથી સોસો, તથા દર દસ હજારની ટુકડીમાંથી હજાર હજાર માણસોને સૈન્યને ખોરાક પૂરો પાડવા રાખીશું, જ્યારે બાકીના લોકો ઇઝરાયલમાં બનેલા આ અનૈતિક કામ માટે ગિબ્યાના લોકોને શિક્ષા કરવા જશે. આમ ગિબ્યા પર હુમલો કરવા માટે ઇઝરાયલના સર્વ માણસો એકચિત્તે સંગઠિત થયા.” ઇઝરાયલનાં કુળોએ બિન્યામીનના કુળપ્રદેશમાં સર્વત્ર સંદેશકો મોકલીને કહેવડાવ્યું, “તમે આ કેવો દુરાચાર કર્યો છે? તો હવે ગિબ્યાના એ દુષ્ટો અમને સોંપી દો કે અમે તેમને મારી નાખીને ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરીએ.” પણ બિન્યામીનના લોકોએ પોતાના સાથી ઇઝરાયલીઓનું કહેવું ગણકાર્યું નહિ. તેઓ બિન્યામીનના સર્વ નગરોમાંથી પોતાના સાથી ઇઝરાયલીઓ સાથે યુદ્ધ કરવા ગિબ્યામાં ભેગા થયા. તે દિવસે તેમણે બિન્યામીનના વંશજોમાંથી સૈન્યની જમાવટ કરી તો તેમનાં નગરોમાંથી છવ્વીસ હજાર તલવાર ચલાવનાર સૈનિકો થયા. તે ઉપરાંત ગિબ્યાના નગરજનોએ સાતસો ચુનંદા સૈનિકો એકઠા કર્યા. તેઓ સૌ ડાબોડિયા હતા. તેમનામાંથી પ્રત્યેક જણ ગોફણથી એવો ગોળો મારી શક્તો કે વાળભર નિશાન ચૂકી જતો નહિ. *** બિન્યામીનના કુળને બાદ કરતાં, ઇઝરાયલીઓએ ચાર લાખ તલવાર ચલાવનાર શૂરવીર સૈનિકો એકઠા કર્યા. ઇઝરાયલીઓએ બેથેલના ભક્તિ- સ્થાનમાં જઈને ઈશ્વરને પૂછયું, “બિન્યામીનીઓ સામે પ્રથમ હુમલો કોણ કરે?” પ્રભુએ જવાબ આપ્યો, “યહૂદાનું કુળ પ્રથમ જાય.” તેથી ઇઝરાયલીઓ બીજી સવારે ઉપડયા અને ગિબ્યા નગર પાસે છાવણી નાખી. તેઓ બિન્યામીનના સૈન્ય પર હુમલો કરવા ગયા અને નગરની સામે સૈનિકોનો મોરચો ગોઠવ્યો. નગરમાંથી બિન્યામીનનું સૈન્ય બહાર ધસી આવ્યું અને તે દિવસે બાવીસ હજાર ઈઝરાયલી સૈનિકોનો સંહાર કર્યો. પછી ઇઝરાયલીઓ ભક્તિસ્થાને ગયા અને પ્રભુની સમક્ષ સાંજ સુધી શોક કર્યો. તેમણે તેમને પૂછયું, “અમે અમારા ભાઈઓ એટલે બિન્યામીનીઓ સામે યુદ્ધ કરવા જઈએ?” પ્રભુએ કહ્યું, “હા, તેમના પર હુમલો કરો.” તેથી ઇઝરાયલી સૈન્યમાં હિંમત આવી અને આગલા દિવસે તેમણે જ્યાં મોરચો ગોઠવ્યો હતો ત્યાં જ સૈનિકો ગોઠવ્યા. *** તેમણે બીજી વખત બિન્યામીનના સૈન્ય સામે લડવા કૂચ કરી. આ બીજી વાર પણ બિન્યામીનીઓ ગિબ્યામાંથી બહાર ધસી આવ્યા અને અઢાર હજાર ઇઝરાયલી સૈનિકોને મારી નાખ્યા; તેઓ સૌ તલવાર ચલાવનાર હતા. પછી સર્વ ઇઝરાલીઓએ બેથેલમાં જઈને શોક કર્યો. તેઓ છેક સાંજ સુધી કંઈપણ ખોરાક ખાધા વિના પ્રભુ સમક્ષ બેસી રહ્યા. તેમણે પ્રભુ સમક્ષ પૂર્ણ દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા. એ દિવસોમાં ઈશ્વરની કરારપેટી ત્યાં બેથેલમાં હતી અને આરોનના પુત્ર એલાઝારનો પુત્ર ફિનહાસ તેની દેખરેખની સેવામાં હતો. લોકોએ પ્રભુને પૂછયું, “અમે અમારા ભાઈઓ બિન્યામીનીઓ સાથે ફરી લડવા જઈએ કે લડવા જવાનું પડતું મૂકીએ?” પ્રભુએ કહ્યું, “લડવા જાઓ. આવતી કાલે હું તમને તેમની પર વિજય પમાડીશ.” *** તેથી ઇઝરાયલીઓએ કેટલાક સૈનિકોને ગિબ્યાની આસપાસ સંતાડી રાખ્યા. પછી સતત ત્રીજે દિવસે પણ તેમણે બિન્યામીનના સૈન્ય સામે યુદ્ધ કરવા આગેકૂચ કરી અને પહેલાંની જેમ જ ગિબ્યાની સામે સૈનિકોનો મોરચો ગોઠવ્યો. બિન્યામીનીઓ લડવા માટે બહાર ધસી આવ્યા અને તેમને નગરથી દૂર ખેંચી જવામાં આવ્યા. પહેલાંની જેમ જ તેમણે ખુલ્લા પ્રદેશમાં બેથેલને રસ્તે તેમ જ ગિબ્યાને રસ્તે ઇઝરાયલીઓની ક્તલ કરી. તેમણે આશરે ત્રીસેક ઇઝરાયલીઓને મારી નાખ્યા. બિન્યામીનીઓ બોલ્યા, “આ વખતે પણ આપણે તેમને પહેલાંની જેમ માર્યા છે.” પણ ઇઝરાયલીઓએ પીછેહઠ કરીને તેમને નગરથી દૂર રસ્તાઓ પર ખેંચી જવાનો વ્યૂહ રચ્યો હતો. તેથી જ્યારે ઇઝરાયલીઓના મુખ્ય સૈન્યે પીછેહઠ કરીને બઆલ-તામાર આગળ વ્યૂહ રચ્યો, ત્યારે ગિબ્યાની આસપાસના ખડકાળ પ્રદેશમાં સંતાઈ રહેલા લોકો તેમના સંતાવાના સ્થાનમાંથી અચાનક ધસી આવ્યા. સમસ્ત ઇઝરાયલમાંથી દશ હજાર ચુનંદા સૈનિકોએ ગિબ્યા પર હુમલો કર્યો, અને ઉગ્ર જંગ ખેલાયો. બિન્યામીનીઓને તો ખ્યાલ પણ ન આવ્યો કે હવે તેમનો ખાતમો બોલી જવાનો છે. પ્રભુએ ઇઝરાયલને બિન્યામીનના સૈન્ય પર વિજય પમાડયો. એ દિવસે ઇઝરાયલીઓએ શત્રુના પચ્ચીસ હજાર એક્સો જેટલા તલવારિયા માણસોને મારી નાખ્યા. બિન્યામીનીઓને ખ્યાલ આવ્યો કે તેમનો પરાજય થયો છે. ઇઝરાયલી સૈન્યના મુખ્ય દળે બિન્યામીનીઓ આગળ પીછેહઠ કરી, કારણ, ગિબ્યાની આસપાસ સંતાઈ રહેલા માણસો પર તેમનો મદાર હતો. એ માણસો સત્વરે ગિબ્યામાં દોડી ગયા અને નગરમાં ફરી વળી સૌને મારી નાખ્યા. ઇઝરાયલના મુખ્ય દળ અને સંતાઈ રહેલા માણસો વચ્ચે એક સંકેતની વ્યવસ્થા ગોઠવી હતી. જ્યારે નગરમાંથી ધૂમાડાના ગોટેગોટા ગગનમાં ચડતા દેખાય, ત્યારે રણમેદાન પરના ઇઝરાયલીઓએ પાછા વળીને ધસવાનું હતું. દરમ્યાનમાં, બિન્યામીનીઓએ ત્રીસ ઇઝરાયલીઓને મારી નાખ્યા હતા. તેઓ અંદરોઅંદર કહેવા લાગ્યા, “આપણે આ વખતે પણ પહેલાંની જેમ તેમને માર્યા છે.” પછી પેલો સંકેત દેખાયો. નગરમાંથી ધૂમાડાના ગોટેગોટા સ્તંભરૂપે ઊંચે ચડવા લાગ્યા. બિન્યામીનીઓએ પાછા ફરીને જોયું તો આખા નગરમાંથી અગ્નિની જ્વાળાઓ ઊંચે ચડતી હતી. પછી ઇઝરાયલીઓ પાછા વળીને ધસ્યા, અને બિન્યામીનીઓમાં ગભરાટ ફેલાઈ ગયો; કારણ તેઓ સમજી ગયા કે હવે તેમનું આવી બન્યું છે! તેમણે ઇઝરાયલીઓ આગળ પીછેહઠ કરી અને ખુલ્લા પ્રદેશ તરફ નાઠા, પણ તેઓ છટકી શક્યા નહિ. તેઓ સૈન્યના મુખ્ય દળના તથા નગરમાંથી બહાર ધસી આવતા માણસોના સકંજામાં આવી પડયા, અને તેમનો સંહાર થયો. તેઓ બિન્યામીનીઓને ઘેરી વળ્યા અને ગિબ્યાની પૂર્વ બાજુ તેની નજદીક સુધી તેમનો સતત પીછો કરીને તેમને માર્યા. બિન્યામીનના અઢાર હજાર શૂરવીર સૈનિકો માર્યા ગયા. બીજા કેટલાક ખુલ્લા પ્રદેશ તરફ વળીને રિમ્મોન ખડક તરફ ગયા. તેમાંથી પાંચ હજારનો તો રસ્તા પર જ સંહાર થયો. ઇઝરાયલીઓએ બાકીના લોકોનો છેક ગિદોમ સુધી પીછો કરીને બે હજારને મારી નાખ્યા. એક દિવસે એકંદરે પચ્ચીસ હજાર બિન્યામીનીઓ માર્યા ગયા અને એમાંના બધા શૂરા સૈનિકો હતા. પણ તેમાંથી છસો માણસો ખુલ્લા પ્રદેશમાં થઈને રિમ્મોન ખડક નાસી જઈને બચી ગયા અને ત્યાં તેઓ ચાર માસ રહ્યા. ઇઝરાયલીઓ પાછા વળીને બાકીના બિન્યામીનીઓ પર ત્રાટક્યા અને તેમનાં સ્ત્રીપુરુષો, બાળકો અને ઢોરઢાંક સર્વસ્વનો નાશ કર્યો. એ વિસ્તારનાં બધાં નગરો તેમણે બાળી નાખ્યાં. ઇઝરાયલીઓ મિસ્પામાં એકત્ર થયા હતા ત્યારે તેમણે આવા સોગન ખાધા હતા: “આપણામાંથી કોઈપણ પોતાની પુત્રીનાં લગ્ન કોઈ બિન્યામીની સાથે થવા દેશે નહિ.” તેથી હવે ઇઝરાયલી લોકો બેથેલમાં જઈને સાંજ સુધી પ્રભુની સમક્ષ બેઠા. તેમણે મોટે સાદે કરુણ આક્રંદ કર્યું. “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, આવું શા માટે બન્યું? ઇઝરાયલમાંથી બિન્યામીનનું કુળ નાબૂદ થઈ જવામાં છે.” બીજે દિવસે લોકો વહેલી સવારે ઊઠયા અને ત્યાં એક વેદી બાંધી. તેમણે સંગતબલિ તથા પૂર્ણ દહનબલિ ચડાવ્યા. તેમણે તપાસ કરતાં કહ્યું, “ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી કોઈ એવું છે કે જે મિસ્પામાં પ્રભુ સમક્ષની સભામાં હાજર રહ્યું નહોતું?” (મિસ્પામાં આવે નહિ તેમને મારી નાખવાના તેમણે સોગન ખાધા હતા.) ઇઝરાયલીઓ તેમના ભાઈઓ બિન્યામીનના લોકો માટે બહુ દુ:ખી થયા. તેમણે કહ્યું, “આજે ઇઝરાયલનું એક કુળ નાબૂદ થઈ જાય છે. બિન્યામીનના બચી ગયેલા લોકો માટે આપણે પત્નીઓ ક્યાંથી લાવી આપીશું? આપણે કોઈ પોતાની પુત્રીનું તેમની સાથે લગ્ન નહિ કરાવીએ એવા સોગન આપણે પ્રભુ સમક્ષ ખાધા હતા.” ઇઝરાયલનાં કુળોમાંથી મિસ્પામાં પ્રભુ સમક્ષની સભા માટે છાવણીમાં ન ગયું હોય એવું કોઈ છે કે કેમ તેની તેમણે તપાસ કરી તો માલૂમ પડયું કે યાબેશ-ગિલ્યાદમાંથી ત્યાં કોઈ આવ્યું નહોતું; સૈન્યની ગણતરી કરવામાં આવી ત્યારે યાબેશ-ગિલ્યાદમાંથી કોઈ કહેતાં કોઈ નહોતું. તેથી સભાએ તેમનામાંથી બાર હજાર શૂરવીરોને આવો આદેશ આપ્યો, “જાઓ, યાબેશ-ગિલ્યાદ જઈને સ્ત્રીઓ અને બાળકો સહિત સૌનો સંહાર કરો. સર્વપુરુષો અને જેમણે પુરુષ સંગ કર્યો હોય એવી સર્વ સ્ત્રીઓને મારી નાખો.” યાબેશ-ગિલ્યાદમાંથી તેમને ચારસો જુવાન કુંવારિકાઓ મળી આવી, તેથી તેઓ તેમને કનાન દેશમાં આવેલા શીલોમાં લઈ આવ્યા. પછી આખી સભાએ ‘રિમ્મોન ખડક’માં રહેલા બિન્યામીનીઓને સલાહશાંતિ માટે સંદેશો મોકલ્યો. બિન્યામીનીઓ પાછા ફર્યા અને તેમના સાથી ઇઝરાયલીઓએ યાબેશ-ગિલ્યાદમાં જીવતી રહેવા દીધેલી કન્યાઓ તેમને આપી. પણ એટલી કન્યાઓ તેમને માટે પૂરતી નહોતી. લોકો બિન્યામીનીઓને લીધે દુ:ખી થયા; કારણ, પ્રભુએ ઇઝરાયલનાં કુળોની એક્તા તોડી નાખી હતી. તેથી સભાના આગેવાનોએ કહ્યું, “બિન્યામીનના કુળના બચી ગયેલા લોકો માટે આપણે ક્યાંથી પત્નીઓ પૂરી પાડીએ? કારણ, બિન્યામીનની સ્ત્રીઓનો તો નાશ થઈ ગયો છે. ઇઝરાયલમાંથી એક કુળ નાબૂદ તો ન જ થવું જોઈએ. બિન્યામીનના કુળનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે કોઈ રસ્તો કાઢવો જોઈએ. આપણે તો પોતાની પુત્રીઓનાં લગ્ન તેમની સાથે કરાવી શક્તા નથી. કારણ, આપણામાંથી કોઈ પોતાની પુત્રીનાં લગ્ન કોઈ બિન્યામીની સાથે કરાવે તો તેવી વ્યક્તિ માટે આપણે શાપ ઉચ્ચાર્યો છે.” પછી તેમણે વિચાર કર્યો, “હવે નજીકના સમયમાં જ શીલોમાં પ્રભુનું વાર્ષિક પર્વ આવી રહ્યું છે.” (શીલો તો બેથેલની ઉત્તરે, લબાનોનની દક્ષિણે અને બેથેલ તથા શખેમ વચ્ચેના રસ્તાની પૂર્વ તરફ આવેલું છે. તેમણે બિન્યામીનીઓને કહ્યું, “તમે જઈને દ્રાક્ષવાડીઓમાં સંતાઈ રહેજો, અને ધ્યાન રાખતા રહેજો. પર્વ દરમ્યાન શીલોની કન્યાઓ નૃત્ય કરવા બહાર આવે ત્યારે તમે દ્રાક્ષવાડીઓમાંથી બહાર નીકળી આવજો. તમારામાંથી પ્રત્યેક જણ એ કન્યાઓમાંથી તમારે માટે બિન્યામીનના પ્રદેશમાં લઈ જજો.” તેમના પિતાઓ કે ભાઈઓ આવીને વિરોધ કરે તો તમે તેમને આમ કહેજો, “મહેરબાની કરીને તમે અમને એ કન્યાઓને રાખવા દો. અમે કંઈ યુદ્ધમાં તેમને ઉપાડી લાવ્યા નથી. તમે અમને એ કન્યાઓ આપી નથી એટલે, તમારા પર તમારા સોગનનો ભંગ થવાનો પણ દોષ રહેતો નથી.” બિન્યામીનીઓએ એ જ પ્રમાણે કર્યું. એટલે, પોતે જેટલા હતા તેટલી સંખ્યામાં તેમની કન્યાઓનું અપહરણ કરી લઈ ગયા. પછી તેઓ પોતાના કુળપ્રદેશમાં ગયા, તેમનાં નગરો ફરી બાંધ્યાં, અને ત્યાં રહ્યાં. વળી, બાકીના ઇઝરાયલીઓ પણ પોતાના કુળમાં, પોતાના ગોત્રમાં અને પોતાના વતનમાં પાછા ગયા. એ સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો. દરેક જણ પોતાની દૃષ્ટિએ યોગ્ય લાગે તેમ કરતો. ઇઝરાયલ દેશમાં ન્યાયાધીશો વહીવટ કરતા હતા ત્યારે ત્યાં એકવાર કારમો દુકાળ પડયો. એથી યહૂદિયા પ્રાંતના બેથલેહેમ ગામમાંથી એક માણસ પોતાની પત્ની અને બે પુત્રો સાથે મોઆબ દેશમાં જઈને થોડાએક સમય માટે વસ્યો. તે માણસનું નામ એલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી અને તેના બે પુત્રોનાં નામ માહલોન અને કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમમાં વસેલા એફ્રાથી ગોત્રનાં હતાં. તેઓ મોઆબ દેશમાં જઈને ત્યાં જ ઠરીઠામ થયાં. થોડા સમય બાદ એલીમેલેખનું મરણ થયું, અને તે પોતાની પાછળ નાઓમી અને બે પુત્રોને મૂકી ગયો. નાઓમી તેના બે પુત્રોની સાથે રહેતી. તેમણે મોઆબ દેશની યુવતીઓ સાથે લગ્ન કર્યાં, એકનું નામ ઓર્પા અને બીજીનું નામ રૂથ હતું. તેઓ મોઆબ દેશમાં લગભગ દસ વર્ષ રહ્યાં. એ અરસામાં માહલોન અને કિલ્યોન પણ મરણ પામ્યા. પતિ અને પુત્રોથી વિયોગી થતાં નાઓમી એકલી જ રહી ગઈ. નાઓમીને મોઆબ દેશમાં જ ખબર પડી કે પ્રભુએ પોતાના લોક પર રહેમનજર કરીને મબલક પાક આપ્યો છે. તેથી તે પોતાની બે પુત્રવધૂઓ સાથે મોઆબ દેશ છોડીને પોતાના વતનમાં પાછી જવા તૈયાર થઈ. તેઓ રહેતાં હતાં ત્યાંથી તે પોતાની બે પુત્રવધૂઓ સાથે ચાલી નીકળી અને યહૂદિયા પાછી જવાને રસ્તે પડી. પણ રસ્તે જતાં નાઓમીએ તેમને કહ્યું, “હવે તમે પાછી જાઓ, ને તમારા પિયરમાં જ રહો. તમે જેમ મારી અને મારા કુટુંબની સાથે ભલાઈપૂર્વક વર્તી છો તેમ પ્રભુ પણ તમારી સાથે વર્તો. ઈશ્વર એવું કરો કે તમારાં ફરી લગ્ન થાય અને તમારું ઘર બંધાય.” એમ બોલીને નાઓમીએ તેમને ચુંબન કરી વિદાય આપી. તેઓ પોક મૂકીને રડી પડી. તેમણે નાઓમીને કહ્યું, “ના, ના, અમે તો તમારી સાથે તમારા લોક પાસે જ આવીશું.” નાઓમીએ કહ્યું, મારી દીકરીઓ, તમારે પાછા ફરવું જ જોઈએ. મારી સાથે આવવાથી તમને કંઈ લાભ થવાનો નથી. શું તમારી સાથે લગ્ન કરાવવા મારી પાસે હજી પણ પુત્રો છે? દીકરીઓ, પાછી ફરો. ફરી લગ્ન કરવાની મારી ઉંમર વીતી ગઈ છે. છતાં હું માનું કે હજી મારે વિષે કંઈક આશા છે અને ધારો કે આજે રાત્રે જ હું લગ્ન કરું અને પુત્રો થાય, તો ય તેઓ ઉંમરલાયક થાય ત્યાં સુધી તમે રાહ જોશો? ત્યાં સુધી તમે લગ્ન કર્યા વિના એકલી રહેશો? ના, મારી દીકરીઓ, એવી વાત તમારા કરતાં મારે માટે વધુ દુ:ખદાયક છે; કારણ, પ્રભુનો હાથ મારી વિરુદ્ધ થયો છે.” ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી. ઓર્પાએ પોતાની સાસુને ચુંબન કરીને પોતાના લોક પાસે પાછા જવા માટે વિદાય લીધી, પરંતુ રૂથ તો નાઓમીને વળગી રહી. ત્યારે નાઓમીએ રૂથને કહ્યું, “જો તારી દેરાણી પોતાનાં સ્વજનો અને પોતાના દેવતાઓ પાસે પાછી ફરી છે. તું પણ તેની સાથે જા.” પરંતુ રૂથે કહ્યું, “તમને છોડીને મને પાછી જવાનું ન કહેશો. તમારી સાથે આવતાં મને ન રોકશો. કારણ, જ્યાં તમે જશો ત્યાં હું પણ આવીશ, અને જ્યાં તમે વસશો ત્યાં જ હું વસીશ. તમારાં સ્વજનો તે મારાં સ્વજનો, અને તમારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે. જ્યાં તમે મરણ પામશો ત્યાં જ હું પણ મરણ પામીશ અને ત્યાં જ મારું દફન થશે. જો હું મરણ સિવાય બીજા કશાથી તમારાથી વિખૂટી થાઉં તો પ્રભુ મારી ખુવારી કરી નાખો.” જ્યારે નાઓમીએ જોયું કે રૂથે તેની સાથે જવાનો દૃઢ નિર્ધાર કર્યો છે ત્યારે તેણે તેને વધુ સમજાવવાનું પડતું મૂકાયું. તેઓ મુસાફરી કરતાં કરતાં બેથલેહેમ આવી પહોંચ્યાં. તેઓ ગામમાં પ્રવેશ્યાં ત્યારે તેમને જોઈને નગરજનો આશ્ર્વર્યમાં પડી ગયા અને સ્ત્રીઓ કહેવા લાગી, “અરે, નાઓમીની આવી દશા થઈ છે?” ત્યારે નાઓમીએ તેમને કહ્યું, “મને નાઓમી (મીઠી) એટલે સુખી કહીને ન બોલાવશો, મને તો ‘મારા’ (કડવી) એટલે દુ:ખી કહો; કારણ, સર્વસમર્થ ઈશ્વરે મારા પ્રત્યે કઠોર વર્તન દાખવ્યું છે. હું અહીંથી ભરીભાદરી નીકળી હતી, પણ પ્રભુ મને ખાલી હાથે પાછી લાવ્યા છે. સર્વસમર્થ પ્રભુએ પોતે જ મને દુ:ખી કરી છે અને મારી સાથે આમ વર્ત્યા છે. તો મને શા માટે ‘સુખી’ કહીને બોલાવો છો?” આમ, નાઓમી પોતાની પુત્રવધૂ રૂથ સાથે મોઆબ દેશમાંથી પાછી આવી. તેઓ જવની કાપણીની શરૂઆતમાં બેથલેહેમ આવ્યાં. નાઓમીના પતિનો એક શ્રીમંત અને વગદાર સગો હતો. તે એલીમેલેખનો કુટુંબી હતો. તેનું નામ બોઆઝ હતું. રૂથે નાઓમીને કહ્યું, “મને ખેતરમાં જવા દો. ત્યાં હું લણનારાઓથી રહી જતાં અનાજનાં કણસલાં એકઠાં કરીશ. મારા પ્રત્યે રહેમનજર દાખવનારની પાછળ પાછળ જઈ હું વીણવાનું કામ કરીશ.” ત્યારે નાઓમીએ કહ્યું, “દીકરી, ભલે જા.” તેથી રૂથ ખેતરમાં ગઈ અને લણનારા માણસોની પાછળ ફરીને કણસલાં વીણવા લાગી. પ્રભુકૃપાએ તે જે ખેતરમાં ગઈ તે તો એલીમેલેખના સગા બોઆઝનું જ હતું. થોડીવાર પછી બોઆઝ પોતે બેથલેહેમથી આવ્યો. લણનારાઓને શુભેચ્છા પાઠવતાં તેણે કહ્યું, “પ્રભુ તમારી સાથે રહો.” તેમણે પણ જવાબ વાળ્યો, “પ્રભુ તમને આશિષ આપો.” લણનારાઓ પર દેખરેખ રાખનારને બોઆઝે પૂછયું, “પેલી યુવતી કોણ છે?” તેણે જવાબ આપ્યો, “એ તો નાઓમી સાથે મોઆબ દેશથી આવેલી પરદેશી યુવતી છે. તેણે મને કહ્યું, ‘મહેરબાની કરીને મને લણનારાઓની પાછળ પાછળ ફરીને કણસલાં એકઠાં કરવા દો.’ એમ વહેલી સવારથી અત્યાર સુધી તેણે કામ કર્યું છે અને હજી હમણાં જ તે છાપરી તળે આરામ લેવા થોભી છે.” ત્યારે બોઆઝે રૂથને કહ્યું, “સાંભળ બહેન, કણસલાં વીણવા આ ખેતર સિવાય બીજે ક્યાંય જઈશ નહિ. અહીં જ રહેજે અને અહીં લણનારી સ્ત્રીઓ સાથે કામ કરજે. ખેતરના કયા ભાગમાં કાપણી થાય છે તેનું ધ્યાન રાખજે અને તેમની પાછળ પાછળ કામ કરજે. મારા મજૂરો તને કંઈ કનડગત કરે નહિ એવી મેં તેમને આજ્ઞા કરી છે. તને તરસ લાગે ત્યારે કામ કરનાર માણસોએ ભરેલાં માટલાંમાંથી પીજે.” રૂથે ભૂમિ સુધી નમીને પ્રણામ કરતાં કહ્યું, “હું એક પરદેશી સ્ત્રી હોવા છતાં તમે મારી કેટલી બધી કાળજી લો છો!” બોઆઝે જવાબ આપ્યો, “તારા પતિના મરણ પછી તું તારી સાસુ સાથે કેવી સારી રીતે વર્તી છે તે મેં સાંભળ્યું છે. તું તારાં માબાપ તથા તારી જન્મભૂમિ છોડીને અજાણ્યા લોકોમાં વસવા આવી છે તે બધું હું બરાબર જાણું છું. તારા એ કાર્ય માટે પ્રભુ તને આશિષ આપો. જેમની પાંખોની છાયા તળે તું આશ્રય લેવા આવી છે તે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તને તેનો ભરીપૂરીને બદલો આપો.” રૂથે જવાબ આપ્યો, “સાહેબ, મારા પર રહેમનજર રાખજો. હું તો તમારા એક નોકર જેવી પણ નથી તો ય તમે મારી સાથે માયાળુપણે બોલ્યા છો તેથી મને હૈયાધારણ મળી છે.” બપોરે જમતી વેળાએ બોઆઝે રૂથને કહ્યું, “અહીં આવ, ને આ શાકમાં રોટલી બોળીને ખા.” તેથી લણનારાઓની સાથે રૂથ પણ જમવા બેઠી. બોઆઝે તેને પોંક આપ્યો. તેણે તે ધરાઈને ખાધા પછી પણ થોડોક પોંક વધ્યો. તે કણસલાં વીણવા ઊઠી એટલે બોઆઝે કામ કરનારા મજૂરોને આજ્ઞા આપી, “એને પૂળાઓમાંથી પણ વીણવા દેજો. તેને કંઈ રોકટોક કરશો નહિ. વળી, પૂળાઓમાંથી થોડાંક કણસલાં ખેંચી કાઢીને પણ તેને માટે જમીન પર રહેવા દેજો. એને વીણવા દેજો, ને ધમકાવશો નહિ.” એમ રૂથે સાંજ સુધી કણસલાં વીણ્યાં. પછી પોતે વીણેલાં કણસલાં ઝૂડયાં તો તેમાંથી દસેક કિલો દાણા નીકળ્યા. તે લઈને તે ગામમાં ગઈ અને પોતાની સાસુને વીણેલા દાણા બતાવ્યા. વળી, તૃપ્ત થયા પછી વધેલો પોંક પણ તેણે નાઓમીને આપ્યો. નાઓમીએ તેને પૂછયું, “આજે તું કોના ખેતરમાં વીણવા ગઈ હતી? તારા પ્રત્યે રહેમનજર રાખનાર માણસ પર ઈશ્વરનો આશીર્વાદ ઊતરો.” રૂથે કહ્યું, “મેં બોઆઝ નામે એક માણસના ખેતરમાં કામ કર્યું હતું.” નાઓમીએ તેને કહ્યું, “પ્રભુ બોઆઝને આશિષ આપો. પ્રભુ તો જીવતાં અને મરેલાં સાથેનાં પોતાનાં વચન પાળે છે.” વળી, તેણે કહ્યું, “આ માણસ આપણો નિકટનો સગો છે. આપણી સંભાળ લેવાની જવાબદારી જેમને શિર છે તેમાંનો તે એક છે.” ત્યારે રૂથે કહ્યું, “વળી, કાપણી પૂરી થાય ત્યાં સુધી તેમની કામ કરનારી સ્ત્રીઓ સાથે વીણવાનું કામ ચાલુ રાખવા તેમણે મને કહ્યું છે.” નાઓમીએ રૂથને કહ્યું, “હા દીકરી, તું બીજા કોઈના ખેતરમાં જાય અને તને કદાચ કોઈ હેરાન કરે એના કરતાં બોઆઝની કામ કરનારી સ્ત્રીઓ સાથે તું રહે એ સારું છે.” એથી રૂથે બોઆઝના મજૂરો સાથે કામ કર્યું. જવની અને પછી ઘઉંની પણ કાપણી પૂરી થઈ ત્યાં સુધી રૂથે બોઆઝના મજૂરોની પાછળ પાછળ કણસલાં વીણવાનું રાખ્યું. રૂથ પોતાની સાસુની સાથે જ રહેતી. એક દિવસે નાઓમીએ રૂથને કહ્યું, “મારી દીકરી, તારું ઘર બંધાય અને તારું ભલું થાય તે માટે હું તારે સારુ એક પતિ શોધી કાઢું એ ઇચ્છવાજોગ છે. જેના મજૂરોની સાથે તું કામ કરતી હતી તે બોઆઝ આપણો નિકટનો સગો છે. જો, આજે રાત્રે તે જવ ઉપણી રહ્યો છે. માટે નાહીધોઈને તથા અત્તર લગાવીને તેમ જ સારામાં સારાં વસ્ત્ર પહેરીને તું અનાજના ખળાએ જા. પરંતુ તે ખાઈપી રહે ત્યાં સુધી તેને તારી ખબર પડવા દઈશ નહિ. તે સૂવા જાય ત્યારે તેની સૂવાની જગ્યા જોઈ લેજે. તે પછી તેના પગે ઓઢેલું ખસેડીને ત્યાં સૂઈ જજે. પછી તારે શું કરવું એ તને તે કહેશે.” રૂથે જવાબ આપ્યો, “તમારા કહ્યા પ્રમાણે હું બધું કરીશ.” એ રીતે રૂથ અનાજના ખળાએ ગઈ અને તેની સાસુની સૂચના પ્રમાણે સઘળું કર્યું. બોઆઝ ખાઈપી રહ્યો અને તે ખુશમિજાજમાં હતો. પછી તે જવના ઢગલા પાસે જઈ ઊંઘી ગયો. રૂથ ધીરેથી ગઈ અને બોઆઝના પગે ઓઢેલું ખસેડીને ત્યાં સૂઈ ગઈ. આશરે મધરાતે બોઆઝ અચાનક જાગી ગયો અને પાસું ફેરવીને જોયું તો પોતાના પગ પાસે એક સ્ત્રી સૂતી હતી. તેણે પૂછયું, “તું કોણ છે?” રૂથે જવાબ આપ્યો, “એ તો હું તમારી દાસી રૂથ છું. તમે મારા નિકટના સગા છો, અને અમારી સંભાળ લેવાની જવાબદારી તમારી છે. માટે તમારું વસ્ત્ર મને ઓઢાડો, મારો સ્વીકાર કરો અને મને આશ્રય આપો.” બોઆઝે કહ્યું, “રૂથ, પ્રભુ તને આશિષ આપો! તેં તારી સાસુ માટે અગાઉ જે ભલાઈ દર્શાવી એના કરતાં અત્યારે તું જે રીતે વર્તી રહી છે તેમાં તેં કુટુંબ પ્રત્યે વિશેષ નિષ્ઠા દાખવી છે. કારણ, તું કોઈ ગરીબ કે ધનવાન જુવાન પાસે પહોંચી ગઈ નથી. તો હવે ચિંતા કરીશ નહિ. તું કહે છે તે પ્રમાણે હું કરીશ. ગામના બધા લોકો જાણે છે કે તું ચારિયવાન સ્ત્રી છે. અલબત્ત, હું તમારો નિકટનો સગો છું અને તમારા માટે જવાબદાર છું; પણ એક બીજો માણસ મારા કરતાંય વિશેષ નિકટનો સગો છે. તેથી બાકીની રાત અહીં જ સૂઈ રહે. પેલો માણસ તમારી જવાબદારી લેશે કે નહિ તે અમે સવારે શોધી કાઢીશું. તે જવાબદારી લે તો ઠીક, અને ન લે તો જીવતા પ્રભુના સમ ખાઉં છું કે હું તે જવાબદારી અદા કરીશ. જા, હવે સૂઈ જા.” એમ રૂથ તેના પગ આગળ સૂઈ રહી, પરંતુ અજવાળું થતાં પહેલાં તે ઊઠી ગઈ. કારણ કે બોઆઝે તેને કહ્યું હતું કે તે ત્યાં ગઈ છે એની કોઈને ખબર પડવી જોઈએ નહિ. પછી બોઆઝે તેને કહ્યું, “તારું ઓઢણું લાવી અહીં પાથર.” એટલે રૂથે એમ કર્યું. બોઆઝે વીસેક કિલો જવ તેમાં નાખ્યા અને તેને ખભે ચઢાવ્યા. પછી રૂથ પાછી ગામમાં ગઈ. તે ઘેર જઈ તેની સાસુને મળી એટલે તેણે તેને પૂછયું, “શું થયું, દીકરી?” ત્યારે બોઆઝે રૂથ માટે જે જે કર્યું હતું તે બધું તેણે કહી સંભળાવ્યું. તે બોલી, “તેમણે જ મને આ વીસેક કિલો જવ આપ્યા છે, કેમ કે તેમણે કહ્યું કે મારે તમારી પાસે ખાલી હાથે પાછા ફરવું નહિ.” નાઓમીએ તેને કહ્યું, “હવે આનું કેવું પરિણામ આવે છે તેની જાણ થતાં સુધી ધીરજ રાખ. કારણ, આ વાતનો નિવેડો લાવ્યા વગર બોઆઝ જંપીને બેસવાનો નથી.” બોઆઝ ગામના દરવાજે એકઠા થવાની જગ્યાએ જઈને બેઠો. થોડીવારમાં બોઆઝે જેનો ઉલ્લેખ કર્યો હતો તે, એટલે એલીમેલેખનો વધારે નિકટનો સગો ત્યાં આવી પહોંચ્યો. બોઆઝે તેને કહ્યું, “આવ ભાઈ, અહીં બેસ.” તેથી તે ગયો. તેના બેઠા પછી બોઆઝે ગામના આગેવાનોમાંથી દસને બોલાવ્યા અને તેમને કહ્યું, “આવો, અહીં બેસો.” એટલે તેઓ પણ બેઠા. પછી બોઆઝે પેલા નિકટના સગાને કહ્યું, “નાઓમી મોઆબ દેશથી પાછી ફરી છે, અને તેણે આપણા ભાઈ એલીમેલેખની જમીન વેચવાનો નિર્ધાર કર્યો છે. મને થયું કે તને પણ એ વાત જણાવું. હવે તારી ઇચ્છા હોય તો અહીં બેઠેલા લોકો અને આગેવાનોની રૂબરૂમાં તું તે જમીન ખરીદ કર. પણ જો તારે તે ન જોઈતી હોય, તો મને કહે; કારણ, તે ખરીદવાનો પહેલો હક્ક તારો છે અને તે પછી જ મારો હક્ક છે.” પેલા માણસે કહ્યું, “હું તે ખરીદીશ.” ત્યારે બોઆઝે કહ્યું, “તારે નાઓમીનું ખેતર ખરીદવું હોય તો મરનારની વિધવા રૂથ સાથે તારે લગ્ન પણ કરવું પડશે; જેથી ખેતર મરનારના વારસામાં ચાલુ રહે.” પેલા માણસે ઉત્તર આપ્યો, “તો પછી હું એ ખેતર ખરીદી શકું તેમ નથી. કારણ, એમ કરવા જતાં હું મારો પોતાનો વારસો ખોઈ બેસું તેવું જોખમ છે. મારે એવું કરવું નથી; ખેતર ખરીદવાના મારા હક્કનો ઉપયોગ તમે જ કરો.” હવે પ્રાચીન સમયમાં ઇઝરાયલમાં વેચવા-બદલવાનું કામ આવી રીતે થતું: વેચનાર પોતાનું ચંપલ ઉતારી સાક્ષીઓની રૂબરૂમાં ખરીદનારને આપતો. વાત પાકી થઈ છે તેનો કરાર કરવાની એ રીત હતી. તેથી પેલા માણસે જ્યારે બોઆઝને જમીન ખરીદવા કહ્યું ત્યારે તેણે પોતાનું ચંપલ ઉ તારી બોઆઝને આપ્યું. બોઆઝે આગેવાનોને તથા સર્વ લોકોને કહ્યું, “તમે બધા સાક્ષી છો કે, એલીમેલેખ, કિલ્યોન તથા માહલોનની સર્વ માલમિલક્ત હું આજે ખરીદી લઉં છું. વળી, માહલોનની વિધવા મોઆબ દેશની રૂથને મારી પત્ની કરી લઉં છું કે જેથી મરનારનો વારસો તેના કુટુંબમાં જ રહે અને તેના લોકોમાં અને તેના વતનમાં તેનું નામ ચાલુ રહે અને નાબૂદ ન થઈ જાય. તમે સૌ આ વાતના સાક્ષી છો.” લોકોએ કહ્યું, “હા, અમે સાક્ષી છીએ.” વળી, આગેવાનોએ કહ્યું, “પ્રભુ એવું કરે કે તારા ઘરમાં આવનાર સ્ત્રી રાહેલ અને લેઆહના જેવી ફળવંત થાય. તું એફ્રાથી ગોત્રમાં સમૃદ્ધ અને બેથલેહેમમાં નામાંક્તિ થાઓ. વળી, આ યુવાન સ્ત્રી દ્વારા પ્રભુ તને જે સંતાન આપે તેમનાથી તારો વંશ યહૂદા અને તામારના પુત્ર પેરેસના વંશ જેવો થાઓ.” બોઆઝે રૂથ સાથે લગ્ન કર્યું, અને તે તેની પત્ની થઈ. પ્રભુકૃપાએ તે તેનાથી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. સ્ત્રીઓએ નાઓમીને કહ્યું, “પ્રભુને ધન્ય હો! તારી સંભાળ લેવા તેમણે તને આ પુત્ર આપ્યો છે. તે ઈઝરાયલમાં નામાંક્તિ થાઓ. તારે માટે તે તાજગી લાવો અને તારી વૃદ્ધાવસ્થામાં તે તારો આધાર બનો. કારણ, તેને જન્મ આપનાર તારી પુત્રવધૂ તારા પર પ્રેમ રાખે છે; તને તો તે સાત દીકરા કરતાં પણ વધારે છે.” નાઓમી છોકરાને પોતાની ગોદમાં લઈને તેનું લાલનપાલન કરતી. નાઓમીને પુત્ર જન્મ્યો છે, એમ કહીને પડોશણોએ તેનું નામ ઓબેદ પાડયું. ઓબેદ તો દાવિદના પિતા યિશાઈનો પિતા હતો. પેરેસથી દાવિદ સુધીની વંશાવળી આ પ્રમાણે છે: પેરેસ, હેસ્રોન, રામ, આમ્મીનાદાબ, માહશોન, સાલ્મોન, બોઆઝ, ઓબેદ, યિશાઈ, દાવિદ. એલ્કાના નામે એક માણસ હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશના રામા નગરમાં રહેતો હતો. તે એફ્રાઈમના કુળનો હતો. તે સૂફના પુત્ર તોહુના પુત્ર એલીહૂના પુત્ર યરોહામનો પુત્ર હતો. એલ્કાનાને બે પત્નીઓ હતી: હાન્‍ના અને પનિન્‍ના. પનિન્‍નાને બાળકો હતાં, પણ હાન્‍નાને કોઈ સંતાન નહોતું. એલ્કાના દર વર્ષે પોતાના નગરથી ‘યાહવે-સબાયોથ’ એટલે સેનાધિપતિ પ્રભુની ભક્તિ કરવા અને બલિ ચઢાવવા શીલો જતો. ત્યાં એલીના બે પુત્રો હોફની અને ફિનહાસ પ્રભુના યજ્ઞકારો હતા. જ્યારે જ્યારે એલ્કાના અર્પણ ચઢાવતો ત્યારે ત્યારે તે પનિન્‍ના અને તેના પુત્રો અને પુત્રીઓને હિસ્સો આપતો. પણ હાન્‍ના પર તે પ્રેમ કરતો હોવા છતાં તે તેને હિસ્સાનો માત્ર એક જ ભાગ આપી શક્તો. કારણ, પ્રભુએ તેને નિ:સંતાન રાખી હતી. હાન્‍નાની શોક પનિન્‍ના તેને દુ:ખ આપતી અને તેને ઉતારી પાડતી. કારણ, પ્રભુએ હાન્‍નાને બાળક વગરની રાખી હતી. દર વર્ષે તેઓ પ્રભુના ભક્તિસ્થાનમાં જતાં ત્યારે પનિન્‍ના હાન્‍નાને એવી સતાવતી કે હાન્‍ના રડતી અને કંઈ ખાતી નહિ. આવું વર્ષો સુધી ચાલ્યું. તેનો પતિ એલ્કાના તેને પૂછતો: “હાન્‍ના, તું શા માટે રડે છે? તું કેમ ખાતી નથી? તારું દિલ શા માટે ઉદાસ રહે છે? શું હું તારે માટે દસ પુત્રો કરતાં વિશેષ નથી?” એક વાર શીલોમાં તેઓ ભોજન કરી રહ્યા પછી હાન્‍ના ઊભી થઈ. પ્રભુના ભક્તિસ્થાનના પ્રવેશ દ્વાર પાસે યજ્ઞકાર એલી પોતાના આસન પર બેઠો હતો. હાન્‍નાનું દિલ બહુ દુ:ખી થઈ ગયું હતું, અને તે પ્રભુને રડી રડીને પ્રાર્થના કરતી હતી. તેણે માનતા માની, “હે સેનાધિપતિ પ્રભુ, આ તમારી સેવિકાના દુ:ખ સામે જુઓ અને મને યાદ કરો. મને ના ભૂલશો. જો તમે મને પુત્ર આપશો તો હું તમને તેની આખી જિંદગી સુધી તેનું અર્પણ કરીશ અને તેના માથા પર અસ્ત્રો કદી ફરશે નહિ.” હાન્‍નાએ લાંબો સમય પ્રભુને પ્રાર્થના કર્યા કરી અને એલી તેના હોઠ સામે જોઈ રહ્યો હતો. હાન્‍ના મનમાં પ્રાર્થના કરતી હતી; ફક્ત તેના હોઠ હાલતા હતા, પણ કંઈ અવાજ સંભળાતો નહોતો. તેથી એલીએ ધાર્યું કે તે પીધેલી છે. એલીએ તેને કહ્યું, “તું ક્યાં સુધી પીવાની લતમાં રહીશ? દ્રાક્ષાસવ પીવાનું છોડી દે.” તેણે કહ્યું, “ગુરુજી, મને દુરાચારી ન માની લેશો. હું કંઈ પીધેલી નથી. હું દ્રાક્ષાસવ પીતી નથી. હું હતાશ થયેલી છું અને પ્રાર્થનામાં મારું અંતર પ્રભુ આગળ ઠાલવતી હતી. મારા અતિશય દુ:ખ અને શોકને લીધે હું એવી રીતે પ્રાર્થના કરતી હતી.” એલીએ તેને આશિષ આપતાં કહ્યું, “તારું કલ્યાણ થાઓ, ઇઝરાયલના ઈશ્વર તારી માગણી પૂરી કરો.” “આ તમારી સેવિકા પર કૃપા રાખજો.” એમ કહી તે ત્યાંથી ગઈ. પછી તે થોડું જમી અને ત્યાર પછી દુ:ખી રહી નહિ. બીજે દિવસે સવારે એલ્કાના અને તેના કુટુંબે વહેલા ઊઠીને પ્રભુની ભક્તિ કરી. પછી તેઓ પોતાને ઘેર રામા ગયાં. એલ્કાનાએ પોતાની પત્ની હાન્‍નાનો સમાગમ કર્યો અને પ્રભુએ હાન્‍નાને યાદ કરી. એમ સમય વીતતાં તે ગર્ભવતી થઈ અને તેને પુત્ર જન્મ્યો. તેણે તેનું નામ શમુએલ [અર્થાત્ પ્રભુએ સાંભળ્યું છે] પાડયું અને કહ્યું, “મેં પ્રભુ પાસે તેની માગણી કરી હતી.” નિયત કરેલા વાર્ષિક બલિ તેમ જ પોતે માનેલાં ખાસ બલિ અર્પણ કરવા માટે એલ્કાના અને તેનું કુટુંબ શીલો ગયાં. પણ હાન્‍ના ગઈ નહિ. તેણે તેના પતિને કહ્યું, “છોકરાને દૂધ મૂકાવ્યા પછી હું તેને તરત જ પ્રભુના ઘરમાં તેમની સમક્ષ લઈ જઈશ, અને તે જીવનભર ત્યાં જ રહેશે.” એલ્કાનાએ જવાબ આપ્યો, “તને યોગ્ય લાગે તેમ કર અને દૂધ છોડાવ્યા સુધી તું ઘેર રહે. પ્રભુ તારી માનતા પૂરી કરો.” તેથી હાન્‍ના ઘેર રહી અને છોકરાને દૂધપાન કરાવતી રહી. તેને દૂધ છોડાવ્યા પછી તે તેને શીલો લઈ ગઈ. તે પોતાની સાથે ત્રણ વર્ષનો વાછરડો, દસ કિલોગ્રામ લોટ અને ચામડાની મશક ભરીને દ્રાક્ષાસવ લઈ ગઈ. તે તેને શીલોમાં પ્રભુના ભક્તિસ્થાનમાં લઈ ગઈ ત્યારે તે બાળક જ હતો. તેમણે વાછરડો કાપ્યો અને છોકરાને એલી પાસે લઈ ગયા. હાન્‍નાએ એલીને પૂછયું, “ગુરુજી, તમે મને ઓળખો છો? તમે જે સ્ત્રીને અહીં ઊભી રહીને પ્રાર્થના કરતી જોઈ હતી તે જ હું છું. મેં પ્રભુ પાસે આ છોકરાની માગણી કરી હતી, અને મેં માગ્યું હતું તે તેમણે મને આપ્યું છે. તેથી હું પણ પ્રભુને તેનું સમર્પણ કરું છું. તે જિંદગીપર્યંત પ્રભુનો જ રહેશે.” પછી ત્યાં તેમણે પ્રભુ સમક્ષ ભૂમિ પર શિર ટેકવીને તેમનું ભજન કર્યું. હાન્‍નાએ પ્રાર્થના કરી: “પ્રભુએ મારું હૃદય આનંદથી ભરી દીધું છે, તેમણે મારી પ્રતિષ્ઠા વધારી છે. મારા શત્રુઓ સામે મારું મોં મલક્ય છે; પ્રભુએ મારી મદદ કરી હોવાથી હું આનંદિત છું. પ્રભુના જેવું કોઈ પવિત્ર નથી, તેમનો કોઈ સમોવડિયો નથી. આપણા પ્રભુ જેવો કોઈ સંરક્ષક ખડક નથી. તમારી મોટી મોટી બડાશો હાંકવાનું બંધ કરો, તમારા ગર્વિષ્ઠ શબ્દો ઉચ્ચારશો નહિ, કારણ, પ્રભુ સર્વજ્ઞ છે, અને તે માણસોનાં બધાં કાર્યોનો ન્યાય કરે છે. બળવાન સૈનિકોનાં બાણ ભાંગી ગયા છે, પણ નિર્બળો સબળ બન્યા છે. અગાઉ તૃપ્ત થયેલાઓ આજે ખોરાકને માટે મજૂરી કરે છે, પણ ભૂખ્યાઓ તૃપ્ત થાય છે. વંધ્યાએ સાત છોકરાને જન્મ આપ્યો છે, પણ ઘણાં છોકરાની માતા સંતાનોના વિરહથી ઝૂરે છે. પ્રભુ મારે છે અને તે જીવાડે છે. તે માણસોને શેઓલમાં મોકલે છે, અને ત્યાંથી તેમને પાછા પણ લાવે છે. પ્રભુ ગરીબ બનાવી દે છે અને ધનવાન પણ કરે છે. તે કેટલાકને નમાવી દે છે અને બીજાઓને ઊંચા લાવે છે. તે ગરીબોને ધૂળમાંથી ઊભા કરે છે, અને શોક્તિ કંગાલોને રાખના ઢગલામાંથી ઉઠાવે છે, તે તેમને રાજવીઓની કક્ષામાં પહોંચાડે છે અને તેમને સન્માનપાત્ર જગ્યાએ મૂકે છે. પૃથ્વીના પાયા પ્રભુને હાથે નંખાયા છે અને તેમના પર તેમણે દુનિયા સ્થાપી છે. તે સંતોનાં પગલાં સંભાળે છે, પણ દુષ્ટો અંધકારમાં અદૃશ્ય થઈ જાય છે. કારણ, કોઈ માણસ બળથી જીતતો નથી. પ્રભુનો પ્રતિકાર કરનારા છિન્‍નભિન્‍ન થઈ જશે, તે તેમની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે. તે સમસ્ત દુનિયાનો ન્યાય કરશે, તે પોતાના રાજાને સામર્થ્ય આપશે. તે પોતાના પસંદ કરેલા અભિષિક્ત રાજાને વિજેતા બનાવશે.” પછી એલ્કાના રામામાં પોતાને ઘેર ગયો; પણ છોકરો શીલોમાં રહ્યો અને તે યજ્ઞકાર એલીની દેખરેખ નીચે પ્રભુની સેવા કરતો. એલીના બે પુત્રો દુરાચારી હતા. તેઓ પ્રભુને ગણકારતા નહિ. વળી, લોકો પાસેથી યજ્ઞકારો શું લઈ શકે તે અંગેના નિયમો પ્રત્યે બેદરકાર હતા. જ્યારે કોઈ માણસ બલિ ચઢાવે ત્યારે યજ્ઞકારનો નોકર ત્રિશૂળ લઈને આવતો. હજુ તો માંસ બફાતું હોય ત્યારે તે કઢાઈ, દેગ, લોઢી કે તપેલામાં ત્રિશૂળ ભોંક્તો અને જેટલું માંસ ચોંટીને બહાર આવે તેટલું માંસ યજ્ઞકારનું થતું. શીલોમાં બલિદાન અર્પવા આવતા બધા ઇઝરાયલીઓ પ્રત્યે તેમનું વર્તન આવું હતું. વળી, ચરબી કાઢીને તેનું દહન કરવામાં આવે તે પહેલાં તો યજ્ઞકારનો નોકર આવીને બલિ ચઢાવનાર માણસને કહેતો, “યજ્ઞકારને શેકવાને માટે મને થોડું માંસ આપો, તે તમારી પાસેથી માત્ર ક્ચુ માંસ જ સ્વીકારશે, બાફેલું નહિ.” જો માણસ એમ કહે કે, “પ્રથમ ચરબીનું દહન થવા દે અને પછી તારે જેટલું જોઈએ તેટલું લઈ જજે.” ત્યારે યજ્ઞકારનો નોકર કહેતો, “ના, ના, મને તો હમણાં આપી દે. જો તું નહિ આપે તો મારે તે બળજબરીથી લઈ લેવું પડશે.” એલીના પુત્રોનું આ પાપ ઈશ્વરની દૃષ્ટિમાં અતિ ગંભીર હતું. કારણ, તેઓ ઈશ્વરને અર્પવામાં આવતાં બલિ પ્રત્યે આ રીતે તુચ્છકાર દાખવતા હતા. બાળ શમુએલ અળસીરેસાના વસ્ત્રનો શ્વેત ઝભ્ભો પહેરીને પ્રભુની સેવા કરતો હતો. તેની માતા હાન્‍ના તેને માટે દર વર્ષે નાનો ઝભ્ભો બનાવતી અને પોતાના પતિની સાથે નિયત કરેલા યજ્ઞાર્પણ માટે જતી ત્યારે તે શમુએલ માટે લઈ જતી. તે વખતે એલી એલ્કાના અને તેની પત્નીને આશિષ આપતો અને એલ્કાનાને કહેતો, “તમે પ્રભુને આ બાળક સમર્પિત કર્યો છે તેના બદલામાં પ્રભુ તને આ સ્ત્રીથી બીજાં બાળકો આપો.” તે પછી તેઓ પાછાં ઘેર જતાં. પ્રભુએ હાન્‍ના પર કૃપા કરી અને તેને બીજા ત્રણ પુત્રો અને બે પુત્રીઓ થયાં. બાળ શમુએલ પ્રભુના સાનિધ્યમાં મોટો થયો. હવે એલી ઘણો વૃદ્ધ થયો હતો. પોતાના પુત્રો ઇઝરાયલીઓ પ્રત્યે જે રીતે વર્તતા હતા અને વળી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ કામ કરતી સ્ત્રીઓ સાથે સમાગમ કરતા એ બધું એલીના સાંભળવામાં આવતું. તેથી તેણે તેમને કહ્યું, “તમે આ બધું શા માટે કરો છો? બધા લોકો મને તમારાં દુષ્ટ કાર્યો વિષે કહે છે. મારા પુત્રો, એ બધુ બંધ કરો. પ્રભુના લોકો તમારે વિશે આ જે બધું કહે છે એ ભયંકર વાત છે. કોઈ માણસ બીજા માણસ વિરુદ્ધ પાપ કરે, તો ઈશ્વર તેને માટે હિમાયત કરી શકે, પણ કોઈ માણસ પ્રભુની વિરુદ્ધ પાપ કરે તો તેની હિમાયત કોણ કરશે?” પણ તેમણે તેમના પિતાનું સાંભળ્યું નહિ. કારણ, પ્રભુએ તેમને મારી નાખવાનો નિર્ધાર કર્યો હતો. બાળ શમુએલ મોટો થતો ગયો અને પ્રભુ તેમ જ માણસોની દૃષ્ટિમાં કૃપા પામ્યો. ઈશ્વરના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, “પ્રભુ કહે છે કે, તારા પૂર્વજનું કુટુંબ ઇજિપ્તના રાજા અને તેના લોકની ગુલામીમાં હતું ત્યારે હું તેની આગળ પ્રગટ થયો. ઇઝરાયલનાં બધાં કુળોમાંથી મારા યજ્ઞકાર બનવા માટે, વેદી પર સેવા કરવા માટે, ધૂપ બાળવા માટે અને એફોદ પહેરીને મારી સેવામાં ઊભા રહેવા માટે મેં આરોનના કુટુંબની પસંદગી કરી. મેં તેમને વેદી પરના દહનબલિમાંથી હિસ્સો લેવાનો હક્ક આપ્યો. તો પછી તમે મારા મંદિરમાં મારા જે બલિ અને અર્પણો ચઢાવવા મેં આજ્ઞા આપી છે તેને કેમ ઠુકરાઓ છો? એલી, મારા લોકો મને જે બલિ ચઢાવે છે તેના ઉત્તમ હિસ્સાથી તારા પુત્રોને પુષ્ટ થવા દઈને તું મારા કરતાં તારા પુત્રોને વિશેષ માન કેમ આપે છે? મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ, ભૂતકાળમાં વચન આપ્યું હતું કે તમારું કુટુંબ અને કુળ મારા યજ્ઞકારો તરીકે હંમેશા મારી સેવા કરશે. પણ હવે હું પ્રભુ કહું છું કે હવેથી એમ થશે નહિ. એને બદલે, જેઓ મને માન આપે છે તેમને હું માન આપીશ. પણ જેઓ મને તુચ્છ ગણે છે તેમને હું પણ તુચ્છ ગણીશ. તો જો, હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે હું તારા અને તારા પૈતૃક કુટુંબના બધા યુવાનોનો સંહાર કરીશ. જેથી તારા કુટુંબનું કોઈ વૃદ્ધાવસ્થા સુધી જીવશે નહિ. તને દુ:ખ પડશે અને મારા નિવાસસ્થાનના દેશમાં ઇઝરાયલના લોકોને જે સર્વ આશિષો હું આપીશ તેમની તું ઈર્ષા કરીશ. પણ તારા કુટુંબમાંથી કોઈ વૃદ્ધાવસ્થા સુધી જીવશે નહિ. “છતાં તારા વંશજોમાંથી એકને હું જીવતો રાખીશ અને તે યજ્ઞકાર તરીકે મારી સેવા કરશે. પણ તું અંધ બની જશે અને પોતાની બધી આશા ગુમાવી દેશે. તારા બીજા બધા વંશજો ભરજુવાનીમાં મૃત્યુ પામશે. હોફની અને ફિનહાસ એ તારા બંને પુત્રો એક જ દિવસે મરશે અને એ પુરવાર કરશે કે હું જે બોલ્યો છું તે બધું સાચું છે. મને વિશ્વાસુ અને મારી ઇચ્છાનુસાર વર્તનાર એવો એક યજ્ઞકાર હું પસંદ કરીશ. તેના વંશજો મારા અભિષિક્ત રાજાની સમક્ષ સેવા કરશે. તારો કોઈ વંશજ બાકી રહી ગયો હોય તો તે એ રાજા પાસે જઈને પૈસા તેમ જ ખોરાક માગશે અને કંઈક ખાવાનું મળે તે માટે તે યજ્ઞકારોને મદદ કરવા દેવાની માગણી કરશે.” બાળક શમુએલ એલીની દેખરેખ નીચે પ્રભુની સેવા કરતો હતો. એ દિવસોમાં પ્રભુના સંદેશાઓ દુર્લભ હતા, અને તેમના તરફથી સંદર્શનો ભાગ્યે જ પ્રગટ થતાં. એલીની આંખે હવે ઝાંખપ આવી હતી અને તેને બરાબર દેખાતું નહોતું. એક રાત્રે તે પોતાના ઓરડામાં સૂઈ ગયો હતો. શમુએલ પ્રભુના મંદિરમાં પવિત્ર કરારપેટીની પાસે સૂતો હતો. ત્યાં ઈશ્વરનો દીવો હજુ સળગતો હતો. તે સમયે પ્રભુએ શમુએલને બોલાવ્યો. તેણે જવાબ આપ્યો, “હાજી” અને એલી પાસે દોડી જઈને તેણે કહ્યું, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી. જા, સૂઈ જા.” તેથી શમુએલ જઈને સૂઈ ગયો. પ્રભુએ ફરીથી શમુએલને નામ દઈને બોલાવ્યો. તેથી શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” પણ એલીએ કહ્યું, “મારા દીકરા, મેં તને નથી બોલાવ્યો, જા, સૂઈ જા.” શમુએલ હજી પ્રભુને ઓળખતો નહોતો અને પ્રભુનો સંદેશો તેની આગળ પ્રગટ થયો ન હતો. પ્રભુએ ત્રીજીવાર શમુએલને હાંક મારી, એટલે તે ઊઠીને એલી પાસે ગયો, અને તેણે કહ્યું, “તમે મને બોલાવ્યોને? હું આ રહ્યો.” પછી એલીને સમજ પડી કે પ્રભુ છોકરાને બોલાવતા હતા. તેથી તેણે તેને કહ્યું, “જા. જઈને સૂઈ જા. અને ફરીથી કદાચ તે તને બોલાવે તો કહેજે, ‘પ્રભુ, બોલો, તમારો સેવક સાંભળે છે.” તેથી શમુએલ જઈને સૂઈ ગયો. પ્રભુ ત્યાં આવીને ઊભા રહ્યા અને અગાઉની જેમ તેમણે તેને બોલાવ્યો “શમુએલ, શમુએલ.” અને શમુએલે કહ્યું, “પ્રભુ, બોલો; તમારો સેવક સાંભળે છે.” પ્રભુએ તેને કહ્યું, “ઇઝરાયલી લોકો મધ્યે હું એવું ભયાનક કાર્ય કરવાનો છું કે તે વિષે સાંભળનાર થરથરી જશે. એ દિવસે એલીના કુટુંબ વિરુદ્ધની મારી સર્વ ધમકીઓ તેમના આરંભથી અંત સુધી હું અમલમાં મૂકીશ. મેં તેને કહ્યું છે કે તેના પુત્રો મારી વિરુદ્ધ દુષ્ટ વાતો બોલ્યા હોવાથી હું તેના કુટુંબને કાયમની શિક્ષા કરનાર છું. એલી તેમનું આ કામ જાણતો હતો. પણ તેણે તેમને રોકયા નહિ. તેથી મેં એલીના કુટુંબ વિરુદ્ધ શપથ લીધા છે કે કોઈપણ જાતના યજ્ઞથી કે અર્પણથી એમનાં પાપનું પ્રાયશ્ર્વિત કરી શકાશે નહિ.” સવાર સુધી શમુએલ સૂઈ રહ્યો પછી તેણે ઊઠીને ભક્તિસ્થાનનાં પ્રવેશદ્વાર ખોલ્યાં. તે એલીને સંદર્શનની વાત કહેતાં ગભરાયો. એલીએ તેને બોલાવ્યો, “દીકરા શમુએલ!” શમુએલે જવાબ આપ્યો “હા,જી.” એલીએ તેને પૂછયું, “પ્રભુએ તને શું કહ્યું? મારાથી કંઈ છુપાવીશ નહિ; તેમણે જે કહ્યું તે બધું તું મને નહિ કહે તો પ્રભુ તને તે કરતાં વધારે શિક્ષા કરશે.” તેથી શમુએલે તેને બધું કહ્યું અને કંઈ છુપાવ્યું નહિ. એલીએ કહ્યું, “આખરે તો તે પ્રભુ છે, તેમને જે સારું લાગે તે કરે.” શમુએલ મોટો થયો. પ્રભુ તેની સાથે હતા અને તેમણે શમુએલને કહેલું બધું સાચું ઠેરવ્યું. તેથી દેશની એક સરહદ દાનથી બીજી સરહદ બેરશેબા સુધી સમગ્ર ઇઝરાયલ દેશના લોકોએ જાણ્યું કે શમુએલ ઈશ્વરનો સાચો સંદેશવાહક છે. શીલોમાં જયાં પ્રભુએ શમુએલને દર્શન આપીને સંદેશ આપ્યો હતો, ત્યાં તેમણે તેને દર્શન આપવાનું ચાલુ રાખ્યું. શમુએલ પ્રભુ તરફથી મળતો સંદેશ પ્રગટ કરતો અને ઈઝરાયલીઓ તેનું માનતા. એ સમયે પલિસ્તીઓ ઇઝરાયલીઓ સામે લડવા એકત્ર થયા હોવાથી ઇઝરાયલી લોકો પલિસ્તીઓ સામે લડવા ગયા. ઇઝરાયલીઓએ એબેન-એઝેરમાં અને પલિસ્તીઓએ એફેકમાં છાવણી નાખી હતી. પલિસ્તીઓએ હુમલો કર્યો અને ભીષણ યુદ્ધ પછી તેમણે ઇઝરાયલીઓને હરાવ્યા અને રણમેદાનમાં ચાર હજાર જેટલા માણસોનો ખૂરદો બોલાવ્યો. બચી ગયેલા લોકો છાવણીમાં પાછા આવ્યા ત્યારે ઇઝરાયલના આગેવાનોએ કહ્યું, “આજે પ્રભુએ આપણને પલિસ્તીઓ સામે કેમ હરાવ્યા છે? આપણે શીલોમાંથી પ્રભુની કરારપેટી લાવીએ, જેથી તે આપણી સાથે આવીને આપણા દુશ્મનોથી આપણને બચાવે.” તેથી તેમણે શીલોમાં સંદેશકો મોકલીને પાંખાળાં પ્રાણી કરુબો પર બિરાજનાર સેનાધિપતિ પ્રભુની કરારપેટી મેળવી. એલીના બે પુત્રો, હોફની અને ફિનહાસ ઈશ્વરની કરારપેટીની સાથે આવ્યા. કરારપેટી છાવણીમાં આવી પહોંચી એટલે ઇઝરાયલીઓએ યુદ્ધનો એવો ભારે પોકાર કર્યો કે પૃથ્વી ગર્જી ઊઠી. હોંકારો સાંભળીને પલિસ્તીઓએ કહ્યું, “હિબ્રૂઓની છાવણીનો પોકાર સાંભળો. એનો અર્થ શો? એ જ કે હિબ્રૂઓની છાવણીમાં પ્રભુની કરારપેટી આવી છે.” તેથી પલિસ્તીઓએ ગભરાઈને કહ્યું, “તેમની છાવણીમાં ઈશ્વર આવ્યા છે. હવે આપણું આવી બન્યું. પહેલાં આવું કદી બન્યું નથી. એ પરાક્રમી દેવોથી આપણને કોણ બચાવી શકે તેમ છે? એ તો ઇજિપ્તીઓને સર્વ પ્રકારના મહાપાતકથી મારનાર દેવો છે. હે પલિસ્તીઓ, હિંમતવાન બનો. લડાઈમાં મર્દાનગી દાખવો. નહિ તો હિબ્રૂઓ જેમ આપણા ગુલામો હતા તેમ આપણે તેમના ગુલામો બની જઈશુ; તેથી મરદની જેમ લડો.” પલિસ્તીઓએ સખત લડાઈ આપી. ઈઝરાયલીઓ હાર્યા અને પોતાના તંબુઓ તરફ ભાગ્યા. ભારે ક્તલ થઈ. ત્રીસ હજાર ઇઝરાયલી સૈનિકો મરાયા. ઈશ્વરની કરારપેટી ઉપાડી જવામાં આવી અને એલીના બે પુત્રો, હોફની અને ફિનહાસ માર્યા ગયા. રણક્ષેત્રમાંથી બિન્યામીનના કુળનો એક માણસ નાઠો અને એ જ દિવસે શીલોમાં આવી પહોંચ્યો. શોક દર્શાવવા તેણે પોતાનાં વસ્ત્ર ફાડી નાખ્યાં હતાં અને પોતાના માથા પર ધૂળ નાખી હતી. એલી રસ્તાની બાજુ પર પોતાના આસન પર બેસીને એકીટશે રાહ જોતો હતો. ઈશ્વરની કરારપેટી વિષે તે અતિ ચિંતાતુર હતો. માણસે નગરમાં આવીને સમાચાર આપ્યા અને બધાએ રડારોળ કરી મૂકી. એ સાંભળીને એલીએ પૂછયું, “આ બધો શાનો શોરબકોર છે?” પેલો માણસ એલીને સમાચાર જણાવવા ઉતાવળે તેની પાસે ગયો. એલી હવે અઠાણું વર્ષનો થયો હતો, તેની આંખે ઝાંખપ આવી હતી અને તેને બરાબર દેખાતું નહોતું. પેલા માણસે કહ્યું, “હું લડાઈમાંથી નાસી છૂટયો છું અને આખે રસ્તે દોડતો દોડતો આજે અહીં આવી પહોંચ્યો છું.” એલીએ તેને પૂછયું, “મારા દીકરા, ત્યાં શું થયું?” સંદેશકે જવાબ આપ્યો, “ઇઝરાયલીઓ પલિસ્તીઓ આગળથી ભાગ્યા છે. આપણો ભયંકર સંહાર થયો છે. એ ઉપરાંત તમારા પુત્રો હોફની અને ફિનહાસ માર્યા ગયા છે અને ઈશ્વરની કરારપેટી શત્રુ ઉપાડી ગયા છે.” પેલા માણસે કરારપેટીનો ઉલ્લેખ કર્યો કે તરત જ એલી દરવાજા પાસેના પોતાના આસન પરથી પાછળ ગબડી પડયો. તે એટલો વૃદ્ધ અને જાડો હતો કે પડવાથી તેની ગરદન ભાંગી ગઈ અને તે મરણ પામ્યો. તેણે ચાલીસ વર્ષ સુધી ઇઝરાયલમાં અમલ કર્યો. એલીની પુત્રવધૂ, ફિનહાસની પત્ની ગર્ભવતી હતી અને તેનો પ્રસૂતિકાળ લગભગ નજીક હતો. ઈશ્વરની કરારપેટી ઉપાડી જવામાં આવી છે અને તેના સસરા તેમ જ પતિનું મરણ થયું છે એ સાંભળી તેને તરત જ પ્રસવવેદના ઊપડી અને પ્રસૂતિ થઈ. તે મરવા પડી હતી પણ તેની સારવાર કરતી સ્ત્રીઓએ તેને કહ્યું, “હિંમત રાખ, તને પુત્ર જનમ્યો છે.” પણ એ અંગે તેણે ન તો કંઈ ધ્યાન આપ્યું કે ન તો કંઈ જવાબ આપ્યો. “ઈશ્વરનું ગૌરવ લઈ જવામાં આવ્યું છે.” એમ બોલીને તેણે તે છોકરાનું નામ ‘ઇખાબોદ’ એટલે “ગૌરવ ક્યાં છે?” પાડયું. એમ તેણે કરારપેટી લઈ જવામાં આવી તેનો અને તેના સસરા તેમ જ પતિના મરણનો નિર્દેષ કર્યો. તેણે કહ્યું, “ઈશ્વરના ગૌરવે ઇઝરાયલનો ત્યાગ કર્યો છે. કારણ, ઈશ્વરની કરારપેટી લઈ જવામાં આવી છે.” પલિસ્તીઓ ઈશ્વરની કરારપેટી કબજે કર્યા પછી તેને એબેનએઝેરથી આશ્દોદ નગરમાં લઈ ગયા. તેઓ તેને તેમના દેવ દાગોનના મંદિરમાં લઈ ગયા અને તેની મૂર્તિ પાસે તેને મૂકી. બીજે દિવસે વહેલી સવારે આશ્દોદના લોકોએ જોયું કે દાગોનની મૂર્તિ પ્રભુની કરારપેટી સમક્ષ જમીન પર ઊંધી પડેલી હતી. તેમણે મૂર્તિને લઈને ફરીથી તેને તેની જગ્યાએ મૂકી. પછીના દિવસે વહેલી સવારે તેમણે જોયું કે દાગોનની મૂર્તિ ફરીથી પ્રભુની કરારપેટીની સમક્ષ જમીન પર ઊંધી પડેલી હતી. તેનું માથું અને તેના બંને હાથ ભાંગીને બારણાના ઉંબરા પર પડયા હતા; માત્ર ધડ બાકી રહ્યું હતું. આટલા જ માટે આજે પણ આશ્દોદમાં દાગોનના યજ્ઞકારો અને તેના સર્વ ભક્તો ઉંબરો ઓળંગીને જાય છે અને તેના પર ચાલતા નથી. પ્રભુએ આશ્દોદના લોકોને આકરી શિક્ષા કરી અને તેમનો નાશ કર્યો. તેમણે તેમને અને આસપાસના પ્રદેશના સર્વ લોકોને પ્લેગની ગાંઠોના રોગથી માર્યા. એ જોઈને આશ્દોદના લોકોએ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર આપણને અને આપણા દેવ દાગોનને શિક્ષા કરે છે. આપણે હવે આ કરારપેટીને અહીં વધુ સમય રાખી શકીએ નહિ.” તેથી તેમણે સંદેશકો મોકલીને પલિસ્તીઓના બધા રાજવીઓને એકત્ર કરીને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરની કરારપેટીનું હવે આપણે શું કરીશું?” તેમણે કહ્યુ, “તેને ગાથમાં લઈ જાઓ.” તેથી તેઓ તેને ત્યાં લઈ ગયા. પણ તે ત્યાં પહોંચ્યા પછી પ્રભુએ એ નગર પર પ્લેગની મોટી આફત લાવ્યા. શહેરના નાનામોટા સૌ લોકોને પ્રભુએ પ્લેગની ગાંઠોના રોગથી માર્યા. તેથી તેમણે કરારપેટીને એક્રોન નગરમાં મોકલી. તે ત્યાં પહોંચતા, લોકોએ બૂમ પાડી, “આપણને મારી નાખવાને તેઓ ઇઝરાયલના ઈશ્વરની કરારપેટી અહીં લાવ્યા છે.” તેથી તેમણે ફરીથી પલિસ્તીઓના રાજવીઓને બોલાવડાવીને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરની કરારપેટી તેના સ્થાને પાછી મોકલી આપો. જેથી તે અમને અને અમારા કુટુંબોને મારી નાખે નહિ.” ઈશ્વર તેમને સખત શિક્ષા કરી રહ્યા હોવાથી આખા શહેર પર આફત ઊતરી હતી. જેઓ મરી ગયા નહિ તેમને પ્લેગની ગાંઠો ફૂટી નીકળી અને એ નગરના લોકનો પોકાર આકાશ સુધી પહોંચ્યો. ઈશ્વરની કરારપેટી પલિસ્તીઓના દેશમાં સાત મહિના રહી. તે પછી પલિસ્તીઓએ યજ્ઞકારો અને જ્યોતિષીને બોલાવીને પૂછયું, “પ્રભુની કરારપેટીનું આપણે શું કરીશું? તેને તેના મૂળ સ્થાને પાછી મોકલવી હોય, તો આપણે એને શી રીતે મોકલીએ?” તેમણે જવાબ આપ્યો, “જો તમે ઇઝરાયલના ઈશ્વરની કરારપેટી પાછી મોકલતા હો તો એને એમને એમ ન મોકલશો, પણ તમારા ગુનાને માટે તમારે તેની સાથે તેમને અર્પણ મોકલવાં જોઈએ. તમે એવી રીતે સાજા થશો અને તે શા માટે તમને શિક્ષા કરે છે તેની પણ તમને ખબર પડશે.” તેમણે પૂછયું, “અમે દોષનિવારણ બલિ તરીકે શું મોકલીએ?” તેમણે જવાબ આપ્યો, “પલિસ્તીઓના રાજવીઓની સંખ્યા મુજબ પાંચ સોનાના મોકલો. તમ સર્વ ઉપર અને પલિસ્તીઓના બધા રાજવીઓ પર એક જ પ્રકારનો પ્લેગનો રોગ મોકલવામાં આવ્યો હતો. તમારા દેશને રંજાડનાર ગાંઠો અને ઉંદરોના નમૂના બનાવો અને એમ ઇઝરાયલના ઈશ્વરને સન્માન આપો. કદાચ તે તમને, તમારા દેવોને અને તમારા દેશને શિક્ષા કરવાનું બંધ કરે. ફેરો અને ઇજિપ્તીઓની માફક તમારે શા માટે હઠીલા બનવું જોઈએ? તેમણે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી જવા ન દીધા ત્યાં સુધી પ્રભુએ તેમની કેવી ક્રૂર મશ્કરી કરી એ ભૂલશો નહિ. તેથી એક નવું ગાડું અને જેના પર કદી ઝૂંસરી ન મૂકાઈ હોય તેવી બે દૂધ આપતી ગાયો તૈયાર કરો. તેમને ગાડા સાથે જોડો અને તેમના વાછરડાઓને ગમાણમાં પાછા લઈ જાઓ. પ્રભુની કરારપેટી લઈને તેને ગાડામાં મૂકો અને તેની નજીક એક પેટીમાં તમારા ગુનાની કિંમત ચૂકવવા માટે મોકલવાના સોનાના નમૂના મૂકો. ગાડું ચલાવો. પછી ગાડું એની મેળે જ્યાં જાય ત્યાં જવા દો. પછી તે ક્યાં જાય છે તેનું ધ્યાન રાખો. જો તે પોતાના દેશની સરહદના બેથ શેમેશ નગર તરફ જાય તો માનવું કે આપણા પર આ ભયંકર આફત મોકલનાર ઇઝરાયલીઓના ઈશ્વર જ છે, પણ જો તેમ ન થાય, તો પછી આપણને ખબર પડશે કે આ પ્લેગનો રોગ તેમણે મોકલ્યો નથી, પણ માત્ર આકસ્મિક ઘટના છે.” તેમણે કહ્યા મુજબ કર્યું. તેમણે બે દૂધ આપતી ગાયો લઈને તેમને ગાડા સાથે જોડી અને તેમના વાછરડાઓને ગમાણમાં પૂરી દીધા. તેમણે ગાડામાં પ્રભુની કરારપેટી અને સાથે ઉંદર તેમ જ ગાંઠોના સોનાના નમૂના ભરેલી પેટી મૂકી. ગાયોએ બેથ શેમેશનો ધોરી રસ્તો પકડયો અને રસ્તામાં ક્યાંય ફંટાયા વિના સીધી ત્યાં જવા ઊપડી. તેઓ જતાં જતાં બરાડતી હતી. પલિસ્તીઓના બધા રાજવીઓ છેક બેથ શેમેશની સરહદ સુધી તેની પાછળ ગયા. બેથ શેમેશના લોકો ખીણ પ્રદેશમાં ઘઉં કાપતા હતા. અચાનક તેમણે નજર ઉઠાવીને જોયું તો કરારપેટી દેખાઈ અને એ જોઈને તેઓ ખૂબ જ આનંદમાં આવી ગયા. ગાડું બેથશેમેશના રહેવાસી યહોશુઆના ખેતરમાં આવીને ઊભું રહ્યું. ત્યાં એક મોટો ખડક હતો. એટલે લોકોએ ગાડાનાં લાકડાં ચીર્યાં, ગાયોનો વધ કર્યો અને ઈશ્વરને બલિ તરીકે તેમનું દહન કર્યું. લેવીઓએ પ્રભુની કરારપેટી ઊંચકીને સોનાના નમૂના ભરેલી પેટી સહિત તેમને મોટા ખડક પર મૂકી. પછી બેથશેમેશના લોકોએ તે દિવસે પ્રભુને દહનબલિ અને બીજાં બલિ અર્પ્યા. પલિસ્તીઓના પાંચ રાજવીઓએ બધું જોયું અને પછી એ જ દિવસે એક્રોન પાછા ગયા. પલિસ્તીઓએ તેમના ગુનાની કિંમત ચૂકવવા આશ્દોદ, ગાઝા, આશ્કલોન, ગાથ અને એક્રોન માટે અર્પણ તરીકે પ્રભુને પાંચ સોનાની ગાંઠો મોકલી આપી હતી. પલિસ્તીઓના પાંચ રાજવીઓના શાસન તળેનાં કિલ્લેબંધીવાળાં નગરો તેમ જ ખુલ્લાં ગામોની સંખ્યા પ્રમાણે તેમણે સોનાના ઉંદર મોકલ્યા હતા. બેથશેમેશમાં યહોશુઆના ખેતરમાંનો મોટો ખડક કે જેના પર તેમણે પ્રભુની કરારપેટી મૂકી હતી તે ખડક હજુ પણ એ બનાવની સાક્ષી પૂરતો ત્યાં ઊભો છે. હવે બેથશેમેશના લોકોએ કરારપેટીમાં જોયું તેથી પ્રભુએ તેમનામાંના સિત્તેર જણને મારી નાખ્યા. લોકોએ વિલાપ કર્યો; કારણ, પ્રભુએ તેમની મધ્યે ભારે સંહાર કર્યો હતો. તેથી બેથશેમેશના લોકોએ કહ્યું, “પ્રભુ એટલે આ પવિત્ર ઈશ્વર સમક્ષ કોણ ઊભું રહી શકે? આપણે એને બીજે ક્યાં મોકલીએ?” તેમણે કિર્યાથયારીમના લોકો પાસે સંદેશકો માકલીને કહેવડાવ્યું, “પલિસ્તીઓએ પ્રભુની કરારપેટી પાછી મોકલી છે. આવીને લઈ જાઓ.” તેથી કિર્યાથયારીમમાં લોકો પ્રભુની કરારપેટી મેળવીને તેને અબિનાદાબના ટેકરી પરના ઘરમાં લઈ ગયા અને તેની સંભાળ અર્થે તેમણે તેના પુત્ર એલાઝારની પ્રતિષ્ઠા કરી. પ્રભુની કરારપેટી કિર્યાથયારીમમાં લગભગ વીસેક વર્ષ જેટલો લાંબો સમય રહી. એ સમય દરમ્યાન સર્વ ઇઝરાયલીઓ પ્રભુને માટે ઝૂરતા હતા. શમુએલે ઇઝરાયલના લોકોને કહ્યુ, “જો તમે તમારા પૂરા દયથી પ્રભુ તરફ ફરતા હો, તો તમે સર્વ વિદેશી દેવો અને આશ્તારોથ દેવીની મૂર્તિઓથી દૂર રહો. તમે પ્રભુને સંપૂર્ણપણે સમર્પિત થાઓ અને માત્ર તેમની જ ભક્તિ કરો અને તે તમને પલિસ્તીઓની સત્તામાંથી છોડાવશે.” તેથી ઇઝરાયલીઓએ બઆલ દેવ અને આશ્તારોથ દેવીની મૂર્તિઓ દૂર કરી અને માત્ર પ્રભુની જ ભક્તિ કરવા લાગ્યા. પછી શમુએલે સર્વ ઇઝરાયલીઓને મિસ્પામાં એકઠા થવા બોલાવ્યા. તેણે કહેવડાવ્યું, “હું ત્યાં તમારે માટે પ્રભુને પ્રાર્થના કરીશ.” તેથી તેઓ સૌ મિસ્પામાં એકઠા થયા. તેમણે પાણી કાઢીને પ્રભુને અર્પણ તરીકે રેડયું અને આખો દિવસ ઉપવાસ કર્યો. તેમણે કહ્યું, “અમે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે.” શમુએલ મિસ્પામાં રહ્યો અને ઇઝરાયલી લોકો પર અમલ કર્યો. ઇઝરાયલીઓ મિસ્પામાં એકઠા થયા છે એવું પલિસ્તીઓએ સાંભળતાં પલિસ્તીઓના રાજાઓ પોતાના માણસો લઈને ઇઝરાયલીઓ પર હુમલો કરવા ઉપડયા. એ સાંભળીને ઇઝરાયલીઓ ગભરાયા. તેમણે શમુએલને કહ્યું, “આપણા ઈશ્વર પ્રભુ આપણને પલિસ્તીઓથી બચાવે તે માટે તેમને પ્રાર્થના કરતા રહો.” શમુએલે એક નાનું હલવાન કાપ્યું અને પ્રભુને અર્પણ તરીકે તેનું પૂરેપૂરું દહન કર્યું. ઇઝરાયલને બચાવવાને તેણે પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી. શમુએલ બલિ ચઢાવતો હતો ત્યારે પલિસ્તીઓ હુમલો કરવાને ધસ્યા, પણ એ જ સમયે પ્રભુએ તેમની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરી. તેઓ ગૂંચવાઈને ગભરાટમાં નાઠા. ઇઝરાયલીઓ મિસ્પામાંથી નીકળી આવ્યા અને છેક બેથકારના નીચાણના પ્રદેશ સુધી પલિસ્તીઓનો પીછો કરી તેમનો સંહાર કર્યો. પછી શમુએલે એક પથ્થર લઈને મિસ્પા અને રોનની વચ્ચે ઊભો કર્યો અને કહ્યું, “પ્રભુએ આપણને આખે માર્ગે મદદ કરી છે.” અને તેથી તેણે તેનું નામ ‘એબેન-એઝેર’ એટલે, “મદદનો પથ્થર” પાડયું. એમ પલિસ્તીઓ હાર્યા અને શમુએલ જીવ્યો ત્યાં લગી પ્રભુએ તેમને ઇઝરાયલના પ્રદેશ પર હુમલો કરવા દીધો નહિ. એક્રોનથી ગાથ સુધીનાં જે સર્વ શહેરો પલિસ્તીઓએ લઈ લીધાં હતાં તે ઇઝરાયલને પાછાં મળ્યાં અને એમ ઇઝરાયલનો બધો પ્રદેશ પાછો મળ્યો. ઇઝરાયલીઓ અને અમોરીઓ વચ્ચે પણ શાંતિ હતી. શમુએલ જીવ્યો ત્યાં સુધી તેણે ઇઝરાયલ પર અમલ કર્યો. તે દર વર્ષે બેથેલ, ગિલ્ગાલ અને મિસ્પામાં જતો અને આ જગ્યાઓમાં તે લોકોના વિવાદોનો નિકાલ કરતો. પછી તે પોતાને ઘેર રામામાં જતો અને ત્યાં પણ ન્યાય કરતો. રામામાં તેણે પ્રભુને અર્થે એક વેદી બાંધી હતી. શમુએલ વૃદ્ધ થયો એટલે તેણે તેના પુત્રોને ઇઝરાયલમાં ન્યાયાધીશો બનાવ્યા. તેના મોટા પુત્રનું નામ યોએલ અને નાના પુત્રનું નામ અબિયા હતું. તેઓ બેરશેબામાં ન્યાયાધીશો હતા. પણ તેઓ તેમના પિતાને અનુસર્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ વળી ગયા. તેથી તેઓ લાંચ લેતા અને ન્યાય આપવામાં પક્ષપાત કરવા લાગ્યા. પછી ઈઝરાયલના સર્વ આગેવાનો એકત્ર થઈને રામામાં શમુએલ પાસે આવ્યા. તેમણે તેને કહ્યું, “જુઓ, તમે તો વૃદ્ધ થયા છો અને તમારા પુત્રો તમને અનુસરતા નથી. તેથી બીજી પ્રજાઓની જેમ અમારા પર રાજ કરવા માટે એક રાજા નીમો.” રાજા માટેની તેમની માગણીથી શમુએલને ખોટું લાગ્યું, તેથી તેણે પ્રભુને પ્રાર્થના કરી. પ્રભુએ કહ્યું, “લોકો તને જે કહે તે પર ધ્યાન આપ. તેમણે તારો નકાર કર્યો નથી, પણ હું તેમનો રાજા ન રહું તે માટે તેમણે મારો નકાર કર્યો છે. મેં તેમને ઇજિપ્તમાંથી છોડાવ્યા તે સમયથી અત્યાર સુધી તેઓ મારાથી દૂર ગયા છે અને તેમણે અન્ય દેવોની સેવાભક્તિ કરી છે અને તારા પ્રત્યેનો તેમનો હમણાંનો વર્તાવ, મારા પ્રત્યેના હંમેશના વર્તાવ જેવો છે. તેથી તેમનું સાંભળ, પણ તેમને કડક ચેતવણીઓ આપ અને તેમના રાજાઓ તેમના પ્રત્યે કેવો વર્તાવ કરશે તે સમજાવ.” પછી શમુએલે રાજાની માગણી કરનાર લોકોને પ્રભુએ કહેલું બધું જ જણાવ્યું. શમુએલે કહ્યું, “તમારો રાજા તમારા પ્રત્યે આવો વર્તાવ કરશે; તમારા પુત્રોને તે સૈનિકો બનાવશે. કેટલાકને તે રથના સારથિઓ બનાવશે, તો બીજા કેટલાકને તેના ઘોડેસ્વાર બનાવશે અને તેઓ તેના અંગરક્ષકો તરીકે તેના રથ આગળ દોડશે. તેમાંના કેટલાકને તે હજાર માણસો પર અને બીજા કેટલાકને તે પચાસ માણસો પર અધિકારીઓ નીમશે. તમારા પુત્રોએ તેનાં ખેતરો ખેડવાં પડશે. તેનો પાક લણવો પડશે અને તેનાં શસ્ત્રો અને તેના રથો માટેનાં સાધનો બનાવવાં પડશે. તમારી દીકરીઓએ સુગંધીદ્રવ્યો બનાવનાર, રસોઈ બનાવનાર અને રોટલી શેકનાર તરીકે કામ કરવું પડશે. તે તમારાં ઉત્તમ ખેતરો, દ્રાક્ષવાડીઓ અને ઓલિવનાં ઉપવનો લઈ લેશે અને તેના અધિકારીઓને આપશે. તેના દરબારીઓ અને બીજા અધિકારીઓ માટે તે તમારા અનાજનો અને તમારી દ્રાક્ષોનો દશમો ભાગ લેશે. તે તમારા દાસદાસીઓ, તમારા યુવાનો અને ગધેડાં લઈને પોતાનું કામ કરાવશે. તે તમારાં ઘેટાંનો દસમો ભાગ લેશે. તમે પણ તેના દાસ થશો. એ સમયે તમે પોતે પસંદ કરેલા તમારા રાજાને લીધે પોકારશો, પણ પ્રભુ તમારી ફરિયાદો સાંભળશે નહિ.” લોકોએ શમુએલનું સાંભળ્યું નહિ. એથી ઊલટું, તેમણે કહ્યું, “ના, અમારે તો રાજા જોઈએ. એમ અમે બીજી પ્રજાઓ જેવા બનીશું. અમારા પર રાજ કરવા, લડાઈમાં અમારો અગ્રેસર થવા અને અમારાં યુદ્ધોમાં લડવાને અમારો પોતાનો રાજા હશે.” શમુએલે તેમનું બધું સાંભળ્યું અને પછી જઈને તે પ્રભુને કહ્યું. પ્રભુએ જવાબ આપ્યો, “તેમની માગણી પૂરી કર અને તેમને રાજા આપ.” પછી શમુએલે ઇઝરાયલના સર્વ માણસોને પોતપોતાનાં નગરોમાં પાછા જવા કહ્યું. બિન્યામીનના કુળમાં કીશ નામે એક પ્રતિષ્ઠિત માણસ હતો. તે અફિયાના પુત્ર બખોરાથના પુત્ર સરોરના પુત્ર એલીએલનો પુત્ર હતો. તેને શાઉલ નામે એક પુત્ર હતો. તે સુંદર યુવાન હતો. ઇઝરાયલમાં બીજા બધા કરતાં તે વેંતભર ઊંચો અને સુંદર હતો. કીશનાં કેટલાંક ગધેડાં ખોવાઈ ગયાં હતાં. તેથી તેણે શાઉલને કહ્યું, “એક નોકરને લઈને ગધેડાં શોધવા જા.” તેઓ એફ્રાઈમના પહાડીપ્રદેશમાં અને શાલીશાના પ્રદેશમાં ફર્યા. પણ ત્યાં ગધેડાં મળ્યાં નહિ. ત્યાંથી તેઓ શાઅલીમના પ્રદેશમાં ફર્યા, પણ ત્યાંય તે ન મળ્યાં. પછી તેઓ બિન્યામીનના કુળપ્રદેશમાં ફર્યા. છતાં ત્યાં પણ તેમને તે ન મળ્યાં. તેઓ સૂફના પ્રદેશમાં આવ્યા ત્યારે શાઉલે નોકરને કહ્યું, “આપણે ઘેર પાછા જઈએ; નહિ તો મારા પિતાજી ગધેડાંની ચિંતા મૂકીને આપણી ચિંતા કરવા લાગશે.” નોકરે કહ્યું, “ઊભા રહો; આ શહેરમાં એક પવિત્ર ઈશ્વરભક્ત રહે છે. તેનું ઘણું માન છે. કારણ, તેનું કહેવું સાચું જ પડે છે. આપણે તેની પાસે જઈએ. કદાચ તે આપણને ગધેડાં ક્યાંથી મળશે તે કહી શકશે.” શાઉલે પૂછયું, “આપણે તેની પાસે જઇએ તો તેને આપણે શું આપી શકવાના છીએ? આપણી થેલીમાં ખોરાક ખલાસ થઈ ગયો છે અને આપણી પાસે એ ઈશ્વરભક્તને આપવાનું કંઈ નથી.” નોકરે જવાબ આપ્યો, “તેને આપવાને મારી પાસે ચાંદીનો પા શેકેલનો સિક્કો છે જે હું તેને આપીશ એટલે આપણે ગધેડાં ક્યાંથી મેળવી શકીશું તે તે આપણને કહેશે.” શાઉલે જવાબ આપ્યો, “વિચાર ઘણો સારો છે; ચાલ, જઈએ.” તેથી તેઓ ઈશ્વરભક્તના નગરમાં ગયા. તેઓ નગરમાં જવા પર્વત ચઢતા હતા ત્યારે પાણી ભરવા આવતી કેટલીક યુવતીઓ તેમને મળી. તેમણે તેમને પૂછયું, “દૃષ્ટા નગરમાં છે?” (ભૂતકાળમાં જ્યારે કોઈને ઈશ્વરની દોરવણી મેળવવી હોય ત્યારે તે કહેતા, ‘ચાલો, દૃષ્ટા પાસે જઈએ.’ કારણ, તે સમયે સંદેશવાહકને દૃષ્ટા કહેતા હતા.) *** *** તેમણે જવાબ આપ્યો, “હા છે. જુઓ, તે તમારી આગળ જ ગયા છે. જલદી જાઓ. તે હમણાં જ નગરમાં આવ્યા છે. કારણ, લોકો આજે પર્વત પરની વેદી પર બલિ ચઢાવવાના છે. તે પર્વત પર જમવા જાય તે પહેલાં તે તમને શહેરમાં પેસતાં જ મળશે. તે ત્યાં જાય તે પહેલાં લોકો જમવાનું શરુ કરશે નહિ. કારણ, તે પ્રથમ અર્પણને આશિષ આપે ત્યાર પછી જ આમંત્રિત મહેમાનો જમશે. તમે ત્યાં જાઓ એટલે તે તમને તરત જ મળશે.” તેથી તેઓ જતા હતા તેવામાં તેમણે શમુએલને પોતા તરફ આવતો અને ભક્તિસ્થાને જતો જોયો. હવે શાઉલ આવી પહોંચ્યો તેના એક દિવસ અગાઉ પ્રભુએ શમુએલને કહ્યું હતું, “આવતી કાલે આ સમયે હું તારી પાસે બિન્યામીનના કુળનો એક માણસ મોકલીશ. મારા ઇઝરાયલી લોક પર તેનો રાજા તરીકે અભિષેક કરજે. તે તેમનો પલિસ્તીઓથી છુટકારો કરશે. મેં મારા લોકનું દુ:ખ જોયું છે અને સહાય માટેનો તેમનો પોકાર સાંભળ્યો છે.” શમુએલે શાઉલને જોયો એટલે પ્રભુએ તેને કહ્યું, “જેના વિષે મેં તને કહ્યું હતું તે આ જ માણસ છે. તે મારા લોક પર રાજ કરશે.” પછી શાઉલે દરવાજે ઊભા રહેલા શમુએલ નજીક જઈને તેને પૂછયું, “દૃષ્ટા ક્યાં રહે છે તે કહેશો?” શમુએલે જવાબ આપ્યો, “હું દૃષ્ટા છું. મારી અગાઉ ભક્તિસ્થાને પહોંચી જા. તમારે આજે મારી સાથે જમવાનું છે. સવારમાં હું તારા બધા પ્રશ્ર્નોના જવાબ આપીને તને વિદાય કરીશ. ત્રણ દિવસ પહેલાં ખોવાઈ ગયેલાં ગધેડાં વિષે ચિંતા કરશો નહિ; તે મળી ગયાં છે. પણ ઇઝરાયલના લોકો કોની ઝંખના રાખે છે? તારી અને તારા પિતાના કુટુંબની નહિ?” શાઉલે જવાબ આપ્યો, “હું ઇઝરાયલમાં નાનામાં નાના કુળ બિન્યામીનનો છું અને એ કુળમાં મારું કુટુંબ વિસાત વગરનું છે. તો પછી તમે મારી આગળ આવું કેમ બોલો છો?” પછી શમુએલ શાઉલ અને તેના નોકરને એક મોટા ભોજનખંડમાં લઈ ગયો અને ત્યાં બેઠેલા લગભગ ત્રીસેક આમંત્રિત મહેમાનો પાસે મુખ્ય આસન પર બેસાડયા. શમુએલે રસોઈયાને કહ્યું, “મેં તને જુદો મૂકી રાખવા આપેલા માંસનો ટુકડો લાવ.” તેથી રસોઈયાએ જાંઘનો માંસલ ટુકડો શાઉલ આગળ પીરસ્યો. શમુએલે કહ્યું, “જો, આ ટુકડો તારે માટે રાખી મૂક્યો હતો. જમી લે. કારણ, મેં આમંત્રિત લોકો સાથે આ સમયે તારે જમવા માટે તે રાખી મૂક્યો હતો. ” એમ શાઉલ તે દિવસે શમુએલ સાથે જમ્યો. તેઓ ભક્તિસ્થાનેથી નગરમાં આવ્યા ત્યારે તેમણે શાઉલને માટે ધાબા પર પથારી કરી અને તે ત્યાં સૂઈ ગયો. વહેલી સવારે શમુએલે શાઉલને ધાબા પરથી બોલાવ્યો, “ઊઠ, હું તને તારે રસ્તે વિદાય કરીશ.” શાઉલ ઊઠયો અને તે તથા શમુએલ ઘરની બહાર ગયા. તેઓ નગરની ભાગોળે આવી પહોંચ્યા એટલે શમુએલે શાઉલને કહ્યું, “નોકરને આપણી આગળ જવા કહે.” નોકર વિદાય થયો એટલે શમુએલે વધુમાં કહ્યું, “અહીં થોડીવાર ઊભો રહે અને હું તને ઈશ્વરનો સંદેશ જણાવીશ.” પછી શમુએલે તેની શીશી લઈને શાઉલના માથા પર તેલ રેડયું અને તેને ચુંબન કરતાં કહ્યું, “પ્રભુએ પોતાના ઇઝરાયલી લોકો પર રાજા તરીકે તારો અભિષેક કર્યો છે. તું પ્રભુના લોક પર રાજ કરીશ અને તેમને તેમના સર્વ શત્રુઓથી બચાવીશ. ઈશ્વરે પોતાના લોકો પર તને રાજા તરીકે પસંદ કર્યો છે તેનો આ પુરાવો છે. આજે તું મારી પાસેથી જઈશ એટલે બિન્યામીનના પ્રદેશમાં સેલ્સામાં આવેલી રાહેલની કબર નજીક તને બે માણસો મળશે. તેઓ તને કહેશે કે તમે જે ગધેડાં શોધો છો તે મળી ગયાં છે અને તેથી તમારા પિતા હવે તેમની નહિ, પણ તમારી ચિંતા કરે છે અને કહ્યા કરે છે, “મારા દીકરા માટે શું કરું?” ત્યાંથી તું આગળ તાબોરના પવિત્ર એલોનવૃક્ષ સુધી જઈશ અને ત્યાં તને બેથેલમાં ઈશ્વરને અર્પણ ચઢાવવા જતા ત્રણ માણસો મળશે. એમાંના એકની પાસે બકરીના ત્રણ બચ્ચાં, બીજાની પાસે ત્રણ રોટલી અને ત્રીજાની પાસે દ્રાક્ષાસવ ભરેલી ચામડાની મશક હશે. તેઓ તને અભિવંદન કરશે અને બે રોટલી આપશે; તું તે સ્વીકારજે. પછી તું ગિબ્યામાં ઈશ્વરના પર્વતે જઈશ. જ્યાં પલિસ્તીઓની છાવણી હશે. નગરના પ્રવેશદ્વારે તને સિતાર, ડફ, વાંસળી અને વીણા વગાડતા અને પર્વત પરની વેદી પરથી ઊતરી આવતા સંદેશવાહકોની એક ટોળી મળશે. તેઓ ગાનતાનમાં તલ્લીન હશે. એ જ સમયે પ્રભુનો આત્મા તારો કબજો લેશે. તું તેમની સાથે નાચવામાં જોડાઈને ગાનતાનમાં તલ્લીન થઈ જઈશ અને બદલાઇ જઇને જુદી જ વ્યક્તિની જેમ વર્તીશ. આ ચિહ્નો પ્રમાણે બધું બને ત્યારે તને સૂઝે એ રીતે વર્તન કરજે, કારણ, ઈશ્વર તારી સાથે છે. તું મારી અગાઉ ગિલ્ગાલ જજે. ત્યાં હું તને મળીશ અને દહનબલિ અને સંગતબલિ ચઢાવીશ. હું આવું ત્યાં સુધી ત્યાં સાત દિવસ થોભજે અને પછી શું કરવું તે હું કહીશ.” શાઉલ શમુએલ પાસેથી નીકળ્યો કે ઈશ્વરે તેને નવો સ્વભાવ આપ્યો. તે જ દિવસે શમુએલે કહેલાં ચિહ્નો પ્રમાણે બધું બન્યું. શાઉલ અને તેનો નોકર ગિબ્યામાં આવ્યા એટલે સંદેશવાહકોની ટોળી તેમને મળી. ઈશ્વરના આત્માએ શાઉલનો એકાએક કબજો લીધો એટલે તે પણ તલ્લીન થઇને સંદેશા ઉચ્ચારવા લાગ્યો. તેના ઓળખીતા લોકોએ તેને તેમ કરતાં જોયો અને એકબીજાને કહેવા લાગ્યા, “કીશના પુત્રને શું થયું છે? શું શાઉલ પણ સંદેશવાહકનો પુત્ર છે?” ત્યાંના એક રહેવાસીએ પૂછયું, “બીજાઓ વિષે શું? શું તેમના પૂર્વજો સંદેશવાહકો છે?” એ ઉપરથી એવી કહેવત પડી કે, “શું શાઉલ પણ સંદેશવાહક બની ગયો છે?” શાઉલ તલ્લીન થઈને જે સંદેશ ઉચ્ચારતો હતો તે પૂરો થયા પછી તે પર્વત પર વેદી પાસે ગયો. શાઉલના ક્કાએ તેને અને તેના નોકરને પૂછયું, “તમે ક્યાં હતા?” શાઉલે જવાબ આપ્યો, “અમે ગધેડાં શોધતા હતા. તે ન મળ્યાં એટલે એ અંગે પૂછવા અમે શમુએલની પાસે ગયા હતા.” શાઉલના ક્કાએ પૂછયું, “તેણે તમને શું કહ્યું?” શાઉલે જવાબ આપ્યો, “ગધેડાં મળ્યાં છે.” પણ પોતે રાજા બનવાનો છે એ અંગે શમુએલે તેને જે કહ્યું હતું તે તેણે તેના ક્કાને કહ્યું નહિ. શમુએલે લોકોને પ્રભુની સમક્ષ મિસ્પામાં એકઠા કર્યા. તેણે ઇઝરાયલીઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે, ‘મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા અને ઇજિપ્તીઓ તેમ જ તમને દુ:ખ દેનાર સર્વ પ્રજાઓથી તમને બચાવ્યા. તમારાં સર્વ દુ:ખો અને મુશ્કેલીઓમાંથી તમને બચાવનાર હું તમારો ઈશ્વર છું. પણ આજે તમે મારો નકાર કર્યો છે અને તમારા પર રાજા નીમવાની માગણી કરી છે. તો ભલે, હવે કુળ અને કુટુંબ પ્રમાણે મારી સમક્ષ રજૂ થાઓ.” પછી શમુએલ પ્રત્યેક કુળને આગળ લાવ્યો અને ઈશ્વરે બિન્યામીનના કુળને પસંદ કર્યું. પછી શમુએલ બિન્યામીનના કુળના કુટુંબોને આગળ લાવ્યો. તો માત્રીનું કુટુંબ પસંદ કરાયું. પછી માત્રીના કુટુંબના માણસો આગળ આવ્યા, તો કીશનો પુત્ર શાઉલ પસંદ કરાયો. તેમણે તેને શોયો, પણ તે તેમને મળ્યો નહિ, ત્યારે તેમણે ફરીને પ્રભુને પૂછયું, “તે માણસ આવ્યો છે કે નહિ?” પ્રભુએ જવાબ આપ્યો, “શાઉલ સરસામાન પાછળ સંતાયેલો છે?” તેથી તેઓ દોડીને શાઉલને લોકો સમક્ષ લઇ આવ્યા. તે તેમની મધ્યે ઊભો રહ્યો ત્યારે બીજા બધા કરતાં વેંતભર ઊંચો દેખાતો હતો. શમુએલે લોકોને કહ્યું, “પ્રભુએ પસંદ કરેલો માણસ આ છે. આપણામાં તેના જેવો બીજો એકેય નથી.” સર્વ લોકોએ પોકાર કર્યો, “રાજા અમર રહો.” શમુએલે લોકને રાજાના હક્ક અને ફરજોની સમજ આપી. પછી તે પુસ્તકમાં લખીને પવિત્રસ્થાનમાં મૂકયું. પછી તેણે સૌને પોતપોતાને ઘેર વિદાય કર્યા. શાઉલ પણ ગિબ્યામાં પોતાને ઘેર ગયો. ઈશ્વરે જેમનાં દયને સ્પર્શ કર્યો હતો એવા કેટલાક શૂરવીર માણસો તેની સાથે ગયા. પણ કેટલાક દુરાચારી લોકોએ કહ્યું, “આ માણસ આપણને કેવી રીતે બચાવી શકશે?” તેમણે શાઉલનો તિરસ્કાર કર્યો અને તેને કંઇ ભેટ આપી નહિ. પણ શાઉલ મૌન રહ્યો. ત્યાર પછી ગિલઆદના પ્રદેશના યાબેશ નગર પર આમ્મોનના નાહાશે ચઢાઈ કરી. તેના લશ્કરે નગરને ઘેરો ઘાલ્યો અને યાબેશના માણસોએ નાહાશને કહ્યું, “અમારી સાથે કરાર કર એટલે અમે તારે શરણે આવીશું.” પણ નાહાશે તેમને કહ્યું, “તમારા બધાની જમણી આંખ ફોડી નાખવામાં આવે અને એમ સમસ્ત ઇઝરાયલ પર કલંક લાગે, એ શરતે હું તમારી સાથે કરાર કરીશ.” યાબેશના આગેવાનોએ કહ્યું, “અમને સાત દિવસની મુદત આપ; જેથી અમે સમગ્ર ઇઝરાયલમાં સંદેશકો મોકલીએ. પછી અમને બચાવનાર કોઈ નહિ હોય તો અમે તારે શરણે આવીશું.” શાઉલ રહેતો હતો ત્યાં ગિબ્યામાં સંદેશકો આવી પહોંચ્યા અને જ્યારે તેમણે સમાચાર આપ્યા ત્યારે લોકો પોક મૂકીને રડવા લાગ્યા. એ જ વખતે શાઉલ ખેતરમાંથી પોતાના બળદને લઈને આવતો હતો. તેણે પૂછયું, “શું થયું છે? બધા કેમ રડે છે?” તેમણે તેને યાબેશથી આવેલા સંદેશકોએ આપેલા સમાચાર જણાવ્યા. એ સાંભળતાં ઈશ્વરના આત્માએ શાઉલનો એકાએક કબજો લીધો અને તેને ખૂબ ઝનૂન ચઢી આવ્યું. તેણે બે બળદો લઇને તેમના ટુકડા કર્યા અને આવો સંદેશો લઈને ટુકડાઓ સાથે સંદેશકો મોકલ્યા, “જે કોઈ શાઉલ અને શમુએલની સાથે લડાઈમાં નહિ જાય તેમના બળદોની આવી દશા થશે.” ઇઝરાયલના લોકોને પ્રભુનો ભય લાગ્યો અને તેઓ સૌ એક મનના થઈને આવ્યા. શાઉલે બેઝેકમાં તેમની ગણતરી કરી: ઇઝરાયલમાંથી ત્રણ લાખ અને યહૂદિયામાંથી ત્રીસ હજાર હતા. તેમણે ગિલ્યાદ પ્રદેશના સંદેશકોને કહ્યું, “તમારા લઠોકને કહેજો કે આવતી કાલે બપોર પહેલાં તમારો બચાવ થશે.” સંદેશો સાંભળીને યાબેશના લોકો ખૂબ આનંદમાં આવી ગયા. તેમણે નાહાશને કહ્યું, “અમે આવતી કાલે તમારે શરણે આવી જઇશું. પછી તમને યોગ્ય લાગે તેમ કરજો.” બીજે દિવસે સવારે શાઉલે લોકોની ત્રણ ટુકડીઓ પાડી અને વહેલી સવારે શત્રુની છાવણીમાં ધૂસી જઈ આમ્મોનીઓ પર હુમલો કર્યો. બપોર સુધી તેમણે તેમની ક્તલ કરી. બાકી રહી ગયેલા આમતેમ એકલાઅટૂલા ભાગી છૂટયા. પછી ઇઝરાયલના લોકોએ શમુએલને કહ્યું, “શાઉલ અમારો રાજા ન થાય એવું કહેનાર લોકો ક્યાં છે? અમારા હાથમાં તેમને સોંપી દો એટલે અમે તેમને મારી નાખીશું.” પણ શાઉલે કહ્યું, “આજે કોઈને મારી નાખવાનો નથી. કારણ, આજે પ્રભુએ ઈઝરાયલનો ઉદ્ધાર કર્યો છે.” શમુએલે તેમને કહ્યું, “ચાલો, ગિલ્ગાલ જઇને ત્યાં શાઉલને આપણા રાજા તરીકે નવાજીએ.” તેથી તેઓ સૌ ગિલ્ગાલ ગયા અને ત્યાં તેમણે પ્રભુની સમક્ષ શાઉલને રાજા તરીકે જાહેર કર્યો. તેમણે સંગતબલિ અપ્યાર્ં અને શાઉલે તથા ઇઝરાયલના સર્વ લોકોએ ખૂબ આનંદ કર્યો. શમુએલે ઇઝરાયલના લોકોને કહ્યું, “મેં તમારી વાત માની છે. તમારા પર રાજ કરવાને મેં રાજા નીમ્યો છે. હવે એ રાજા તમારો અગ્રેસર છે. હું તો વૃદ્ધ થયો છું અને મને માથે પળિયાં આવ્યાં છે. વળી, મારા પુત્રો તમારી સાથે છે. મારી બાલ્યાવસ્થાથી આજ સુધી તમારી સમક્ષ મેં મારું જીવન ગુજાર્યું છે. હું અહીં છું. જો મેં કોઈનું કંઈ ખોટું કર્યું હોય, તો પ્રભુ અને તેના પસંદ કરેલા રાજાની સમક્ષ અત્યારે જ મારી ઉપર આક્ષેપ મૂકો. શું મેં કોઈનો બળદ કે કોઇનું ગધેડું લીાાં છે? શું મેં કોઈને છેતર્યો છે કે કોઈના પર જુલમ કર્યો છે? પક્ષપાત કરવા માટે કોઈની પાસેથી મેં લાંચ લીધી છે? જો આમાનું મેં કાંઈપણ કર્યું હોય તો મેં જે લીધું હોય તે હું ભરપાઈ કરી આપીશ.” લોકોએ જવાબ આપ્યો, “તમે અમને છેતર્યા નથી, અથવા અમારા પર જુલમ કર્યો નથી, કે કોઈની પાસેથી કંઈ લીધું નથી.” શમુએલે જવાબ આપ્યો, “આજે હું તમને તદ્દન નિર્દોષ માલૂમ પડયો છું. પ્રભુ અને તેમણે પસંદ કરેલ રાજા તમારા સાક્ષી છે.” તેમણે કહ્યું, “તે તમારા સાક્ષી છે.” શમુએલે વિશેષમાં કહ્યું, “મોશે અને આરોનને પસંદ કરનાર અને તમારા પૂર્વજોને ઇજિપ્તમાંથી છોડાવનાર તો પ્રભુ જ છે. હવે તમે જ્યાં છો ત્યાં શાંતિથી ઊભા રહો. પ્રભુએ તમને અને તમારા પૂર્વજોને બચાવવાને જે સર્વ પરાક્રમી કામો કર્યાં તે યાદ કરાવતાં હું તમારા પરના આક્ષેપ ઈશ્વર સમક્ષ રજૂ કરીશ. યાકોબ અને તેનું કુટુંબ ઇજિપ્તમાં ગયાં અને ઇજિપ્તીઓએ તેમના પર જુલમ ગુજાર્યો ત્યારે તમારા પૂર્વજોએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમણે મોશે અને આરોનને મોકલ્યા. તેઓ તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા અને આ દેશમાં વસાવ્યા. પણ તેઓ પોતાના ઈશ્વર પ્રભુને ભૂલી ગયા. એટલે પ્રભુએ હાસોર નગરના સેનાપતિ સીસરાને, પલિસ્તીઓને અને મોઆબના રાજાને તમારા પૂર્વજો વિરુદ્ધની લડાઈમાં જીત પમાડી. પછી તેમણે પ્રભુને મદદ માટે પોકાર કરીને કહ્યું, ‘તમારા તરફથી ફરી જઈને અને બઆલ દેવ તથા આશ્તારોથ દેવીની ભક્તિ કરીને અમે પાપ કર્યું છે. અમારા શત્રુથી અમને બચાવો અને અમે તમારી સેવાભક્તિ કરીશું.’ પ્રભુએ યરુબ્બાઆલ, બારાક, યિફતા અને શમુએલને મોકલ્યા. તેમણે તમને તમારી આસપાસના શત્રુઓથી બચાવ્યા અને તમે સલામતીમાં રહ્યા. વળી, આમ્મોનનો રાજા નાહાશ તમારા પર હુમલો કરવાની તૈયારીમાં છે એ જોઈને તમે તમારા ઈશ્વર પ્રભુને રાજા તરીકે નકારીને મને કહ્યું, “અમારા પર રાજ કરવા અમારે રાજા જોઈએ.’ હવે તમે માગેલો અને પસંદ કરેલો રાજા અહીં છે, પ્રભુએ તે તમને આપ્યો છે. તમે પ્રભુ તમારા ઈશ્વરનો ડર રાખો, તેમની સેવા કરો, એમનું સાંભળો અને તેમની આજ્ઞાઓ પાળો. તમે અને તમારો રાજા તેમને અનુસરો તો તમારું કલ્યાણ થશે. પણ પ્રભુની વાણી નહિ સાંભળતાં તમે તેમની આજ્ઞાઓની અવજ્ઞા કરશો તો તમારા પૂર્વજોની જેમ તે તમારી વિરુદ્ધ પણ થઈ જશે. તો ઊભા રહો, હવે તમે ઈશ્વરનાં મહાન કાર્ય જોશો. અત્યારે તો ઉનાળો છે, ખરું ને? હું પ્રાર્થના કરીશ એટલે ઈશ્વર મેઘગર્જના અને વરસાદ મોકલશે. એ જોઈને તમને ખબર પડશે કે રાજા માગીને તમે પ્રભુ વિરુદ્ધ મહાન પાપ કર્યું છે.” *** તેથી શમુએલે પ્રાર્થના કરી અને એ જ દિવસે પ્રભુએ મેઘગર્જના અને વરસાદ મોકલ્યાં. પછી સર્વ લોકો પ્રભુ અને શમુએલથી ગભરાયા. તેમણે શમુએલને કહ્યું, “તમે તમારા ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરો કે જેથી અમે મરી જઇએ નહિ. અમારાં બીજાં સર્વ પાપ ઉપરાંત અમે રાજા માંગીને પણ પાપ કર્યું છે.” શમુએલે જવાબ આપ્યો, “ગભરાશો નહિ; જો કે તમે આવું દુષ્કર્મ કર્યું છે તો પણ પ્રભુથી દૂર જશો નહિ, પણ તમારા પૂરા દયથી તેમની સેવા કરો. જૂઠા દેવો પાછળ જશો નહિ. તેઓ ન તો તમને મદદ કરી શકે તેમ છે કે ન તો તમને બચાવી શકે તેમ છે; કારણ કે તે સાચા દેવો નથી. પ્રભુ પોતાના નામની પ્રતિષ્ઠાને લીધે તમને તજી દેશે નહિ. કારણ, તેમણે તમને પોતાના લોકો બનાવવાનો નિર્ધાર કર્યો છે. મારા સંબંધી ઈશ્વર એવું થવા ન દો કે હું તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દઉં અને એમ પ્રભુની વિરુદ્ધ પાપ કરું; એને બદલે, તમારે માટે સારું અને સાચું શું છે તે હું તમને શીખવીશ. પ્રભુનો ભય રાખો અને તમારા પૂરા દયથી તેમની વિશ્વાસુપણે સેવા કરો. પણ જો તમે પાપ કર્યા કરશો તો તમે અને તમારો રાજા નાશ પામશો.” શાઉલ રાજા બન્યો ત્યારે તે (ત્રીસ) વર્ષનો હતો. તેણે (બેંતાલીસ) વર્ષ ઇઝરાયલ પર રાજ કર્યું. શાઉલે ત્રણ હજાર ઇઝરાયલીઓને પસંદ કર્યા અને બાકીના બીજા સૌને છાવણીમાં વિદાય કર્યા. તેણે પોતાની સાથે મિખ્માશમાં અને બેથેલના પહાડીપ્રદેશમાં બે હજાર રાખ્યા અને તેના પુત્ર યોનાથાનની સાથે બિન્યામીનના કુળપ્રદેશમાં ગિબ્યામાં એક હજાર રાખ્યા. યોનાથાને ગેબામાં પલિસ્તી સેનાપતિને મારી નાખ્યો અને સર્વ પલિસ્તીઓએ તે જાણ્યું. પછી શાઉલે હિબ્રૂઓને લડાઈમાં બોલાવવાને આખા દેશમાં રણશિંગડું ફૂંકવા સંદેશકોને મોકલ્યા. શાઉલે પલિસ્તી સેનાપતિને ખતમ કરી દીધો છે અને પલિસ્તીઓ ઇઝરાયલીઓનો તિરસ્કાર કરે છે તે સર્વ ઇઝરાયલીઓને જણાવવામાં આવ્યું. તેથી લોકો શાઉલ પાસે ગિલ્ગાલમાં એકત્ર થયા. પલિસ્તીઓ એકઠા થઈને ઇઝરાયલીઓ સાથે લડવા આવ્યા. તેમની પાસે યુદ્ધ માટે ત્રીસ હજાર રથો, 6000 ઘોડેસ્વારો અને સમુદ્ર કિનારાની રેતીના કણ જેટલા અસંખ્ય સૈનિકો હતા. તેમણે બેથ-આવેનની પૂર્વમાં મિખ્માશમાં છાવણી નાખી. ઇઝરાયલીઓ પર ભીષણ હુમલો થયો અને તેઓ કટોકટીની પરિસ્થિતિમાં મૂકાઈ ગયા. તેમનામાંના કેટલાક ગુફાઓમાં, ખાઈઓમાં, ખડકોમાં, ખાડાઓમાં અને કોતરોમાં સંતાઈ ગયા. બીજા કેટલાક યર્દન નદી ઓળંગીને ગાદ અને ગિલ્યાદના પ્રદેશોમાં જતા રહ્યા. શાઉલ હજુ ગિલ્ગાલમાં હતો અને તેની સાથેના લોકો ભયથી કાંપતા હતા. શમુએલની સૂચના પ્રમાણે શાઉલે સાત દિવસ તેની રાહ જોઈ. પણ શમુએલ ગિલ્ગાલ આવ્યો નહિ. લોકો શાઉલને મૂકીને જતા રહેવા લાગ્યા. તેથી શાઉલે તેમને કહ્યું, “દહનબલિ અને સંગતબલિ મારી પાસે લાવો.” તેણે દહનબલિ ચઢાવ્યો. તે અર્પણ ચઢાવી રહ્યો તે પછી શમુએલ આવી પહોંચ્યો. શાઉલ તેને મળવાને અને આવકારવાને બહાર ગયો. પણ શમુએલે તેને કહ્યું, “તેં આ શું કર્યું?” શાઉલે જવાબ આપ્યો, “મેં જોયું કે લોકો મને મૂકીને ચાલ્યા જાય છે અને તમારા કહ્યા પ્રમાણે તમે આવ્યા નહિ અને પલિસ્તીઓ મિખ્માશમાં એકઠા થયા છે. તેથી મેં વિચાર્યું કે પલિસ્તીઓ ગિલ્ગાલમાં મારા પર હુમલો કરશે અને મેં પ્રભુને પ્રસન્‍ન કર્યા નથી. તેથી મારે મન કઠણ કરીને અર્પણ ચઢાવવાં પડયાં.” શમુએલે જવાબ આપ્યો, “એમાં તેં મૂર્ખાઈ કરી છે. તેં તને તારા ઈશ્વર પ્રભુએ આપેલી આજ્ઞા પાળી હોત, તો તે તને અને તારા વંશજોને હંમેશને માટે ઇઝરાયલ પર રાજ કરવા દેત. પણ હવે તારું રાજ ટકશે નહિ. પ્રભુએ પોતાને મનપસંદ માણસ શોધી કાઢયો છે અને પોતાના લોક પર તે તેને રાજા બનાવશે. કારણ, તું ઈશ્વરને આધીન થયો નથી. શમુએલ ગિલ્ગાલથી બિન્યામીનના કુળપ્રદેશના ગિબ્યામાં ગયો. શાઉલ પોતાના સૈનિકો પાસે જતો હતો ત્યારે બાકી રહેલા લોકો તેની પાછળ ગયા. શાઉલે છસો માણસની બનેલી તેની ટુકડીની તપાસ કરી લીધી. શાઉલ, તેનો દીકરો યોનાથાન અને તેમના માણસો બિન્યામીનના કુળપ્રદેશના ગિબ્યામાં રહ્યા. પલિસ્તીઓની છાવણી મિખ્માશમાં હતી. પલિસ્તી સૈનિકોએ તેમની છાવણીમાંથી ત્રિપાંખિયો હુમલો કર્યો, એક ટુકડી શૂઆલ પ્રદેશના ઓફા તરફ ગઈ, બીજી ટુકડી બેથહોરોન અને ત્રીજી ટુકડી સબાઈમની ખીણ અને વેરાનપ્રદેશની સામેની સરહદ સુધી ગઈ. હવે આખા ઇઝરાયલમાં એકેય લુહાર નહોતો અને હિબ્રૂઓને તરવારો અને ભાલાઓ નહિ બનાવવા દેવાનો પલિસ્તીઓએ નિર્ધાર કર્યો હતો. ઇઝરાયલીઓએ પોતાનાં હળની કોશ, કોદાળીઓ, કુહાડીઓ અને દાતરડાની ધાર કઢાવવા પણ પલિસ્તીઓ પાસે જવું પડતું. હળની કોશ અને કોદાળીની ધાર કઢાવવા માટે એક સિક્કો અને કુહાડીની ધાર કઢાવવા તથા પરોણીને આર બેસાડવા માટે બે સિક્કા લાગતા. તેથી યુદ્ધને દિવસે શાઉલ અને તેના પુત્ર યોનાથાન સિવાય બીજા કોઈ ઇઝરાયલી સૈનિક પાસે તલવાર કે ભાલો નહોતો. મિખ્માશ ઘાટ સાચવવા માટે પલિસ્તી સૈનિકોની એક ટુકડી આવી પહોંચી.” એક દિવસે શાઉલના પુત્ર યોનાથાને પોતાના યુવાન શસ્ત્રવાહકને કહ્યું, “ચાલ, આપણે પલિસ્તીઓની છાવણીમાં ધૂસી જઈએ.” પણ યોનાથાને તેના પિતાને તે વિષે વાત કરી નહિ. શાઉલે ગિબ્યાથી થોડે દૂર મિગ્રોનમાં દાડમના વૃક્ષ હેઠળ છાવણી નાખી હતી. તેની સાથે છસો માણસો હતા. ઇખાબોદના ભાઈ અહીટૂબનો પુત્ર અહિયા એફોદ પહેરનાર યજ્ઞકાર હતો. અહિટૂબ તો શીલોમાંના પ્રભુના યજ્ઞકાર એલીના પુત્ર ફિનહાસનો પુત્ર હતો. યોનાથાન ગયો છે એવી માણસોને ખબર નહોતી. પલિસ્તીઓની છાવણીમાં જવા માટે યોનાથાને જે ઘાટમાં થઈને પસાર થવું પડે તેમ હતું તેની બંને બાજુએ બે મોટા સીધા ચઢાણવાળા ખડક હતા, એકનું નામ બોસેસ અને બીજાનું નામ સેને હતું. એક ખડક મિખ્માશની સામે ઘાટની ઉત્તર તરફ હતો અને બીજો ગિબ્યા સામે ઘાટની દક્ષિણ તરફ હતો. યોનાથાને પેલા યુવાનને કહ્યું, “ચાલ, આપણે એ પરપ્રજાના પલિસ્તીઓની છાવણીમાં જઈ પહોંચીએ. પ્રભુ આપણી મદદ કરશે. જો પ્રભુ ઇચ્છે તો આપણે થોડા કે વધારે હોઈએ તો પણ આપણને વિજય મેળવવામાં કંઈ અવરોધ નડશે નહિ.” યુવાને કહ્યું, “જેવી તમારી મરજી; તમે જે કંઈ કરો તેમાં હું તમારી સાથે છું.” યોનાથાને કહ્યું, “ભલે, તે માણસો આપણને જુએ તેમ આપણે જઇએ. જો તેઓ આપણને કહે કે અમે તમારી પાસે આવીએ ત્યાં લગી થોભો, તો આપણે જ્યાં હોઈએ ત્યાં જ થોભી જઈશું. પણ જો તેઓ આપણને તેમની પાસે બોલાવે તો આપણે જઈશું. કારણ, પ્રભુ આપણને તેમના ઉપર વિજય પમાડશે તેનું એ ચિહ્ન થશે.” તેથી તેઓ પલિસ્તીઓની નજરે પડયા. પલિસ્તીઓએ કહ્યું, “જુઓ, જુઓ, ગુફાઓમાં સંતાઈ ગયેલા કેટલાક હિબ્રૂ હવે બહાર આવે છે!” પલિસ્તી સૈનિકોએ યોનાથાન અને યુવાનને બોલાવ્યા, “અહીં ઉપર આવો, અમે તમને કંઈક જણાવવા માગીએ છીએ.” યોનાથાને યુવાનને કહ્યું, “મારી પાછળ ઉપર આવ. કારણ, પ્રભુએ ઇઝરાયલને તેમની પર વિજય પમાડયો છે.” યોનાથાન તેના ધૂંટણે પડીને ખડક ઉપર ચઢયો અને પેલો યુવાન તેની પાછળ ગયો. યોનાથાને પલિસ્તીઓ પર હુમલો કરીને તેમને પાડી દીધા અને યુવાને તેમને મારી નાખ્યા. એ પ્રથમ ક્તલમાં યોનાથાન અને યુવાને એક ઝુંસરી જેટલી પહોળાઈ અને અર્ધા ચાસ જેટલી લંબાઈના વિસ્તારમાં લગભગ વીસ માણસો મારી નાખ્યા. છાવણીમાં તેમ જ રણક્ષેત્રમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા. સર્વ પલિસ્તીઓ ગભરાઈ ગયા; સંરક્ષકો અને ત્રાટકનારા સૈનિકો પણ થથરી ગયા. ધરતી પણ ધ્રૂજી ઊઠી અને ચોમેર આતંક વ્યાપી ગયો. બિન્યામીનના કુળપ્રદેશમાં આવેલા ગિબ્યામાં શાઉલના ચોકીદારોએ પલિસ્તીઓનો સમુદાય વિખેરાઈ જતો અને તેમના લોકને આમતેમ નાસભાગ કરતા જોયા. તેથી શાઉલે પોતાના માણસોને કહ્યું, “આપણા સૈનિકોની ગણતરી કરો અને આપણામાંનું કોણ નથી તે શોધી કાઢો.” તેમણે તપાસ કરી તો યોનાથાન અને તેનો યુવાન શસ્ત્રવાહક ખૂટતા હતા. તેથી શાઉલે યજ્ઞકાર અહિયાને કહ્યું, “ઈશ્વરની કરારપેટી અહીં લાવો.” કારણ, તે વખતે કરારપેટી ઇઝરાયલી લોકો આગળ જતી. શાઉલ યજ્ઞકાર સાથે વાત કરતો હતો તે દરમિયાનમાં પલિસ્તીઓની છાવણીમાં ઘોંઘાટ વધી ગયો. તેથી શાઉલે તેને કહ્યું, “રહેવા દો, અત્યારે હવે પ્રભુની સલાહ પૂછવાનો સમય નથી.” પછી પૂરા ગૂંચવાડામાં પડી જઈ અંદરોઅંદર લડી રહેલા પલિસ્તીઓ સામે યુદ્ધ કરવા શાઉલ અને તેના સર્વ માણસો ગયા. પલિસ્તીઓના પક્ષમાં ભળી જઈ તેમની છાવણીમાં ગયેલા હિબ્રૂઓ શાઉલ તથા યોનાથાનના પક્ષમાં જોડાઈ ગયા. *** પલિસ્તીઓ ભાગી રહ્યા છે એવું સાંભળીને એફ્રાઈમના પર્વતોમાં સંતાઈ રહેલા ઇઝરાયલીઓ પણ જોડાઈ ગયા અને પલિસ્તીઓ પર આક્રમણ કર્યું. તે દિવસે ઈશ્વરે ઇઝરાયલનો બચાવ કર્યો અને બેથઆવેનની પેલે પાર સુધી જંગ જામ્યો. શાઉલે સોગંદ ખાઈને આવો હુકમ કર્યો હતો, “મારા શત્રુઓ પર હું વેર વાળુ ત્યાં સુધી આજે સાંજ સુધી જો કોઈ કંઈ ખોરાક લે તો તે શાપિત હો.” તેથી તે દિવસે ઇઝરાયલીઓ ભૂખથી નિર્ગત થઈ ગયા હતા. કોઈએ આખો દિવસ કંઇ ખાધું નહોતું. તેઓ સૌ જંગલમાં આવ્યા અને જમીન પર બધે મધ પડેલું હતું. વૃક્ષો પરના મધપૂડામાંથી મધ ટપકતું હતું, પરંતુ કોઈએ તે હાથથી ચાખ્યું પણ નહિ. કારણ, તેઓ સૌ શાઉલના શાપથી ડરતા હતા. પણ પોતાના પિતાએ શાપ ઉચ્ચારીને લોકોને આપેલી ધમકી યોનાથાને સાંભળી નહોતી. તેથી પોતાની પાસેની લાકડી લંબાવીને મધપૂડામાં ખોસીને તેણે થોડુંક મધ ખાધું. તરત જ તેનામાં સ્ફૂર્તિ આવી. એક માણસે કહ્યું, “બધાં માણસો ભૂખથી નિર્ગત છે, પણ તમારા પિતાજીએ અમને ધમકી આપી છે કે, ‘આજે જે કંઈપણ ખોરાક ખાય તે શાપિત હો.” યોનાથાને જવાબ આપ્યો, “મારા પિતાજીએ આપણા લોકોને હેરાન કર્યા છે. જુઓ, મેં થોડુંક મધ ખાધું તેથી કેટલી સ્ફૂર્તિ આવી છે. આપણા લોકોએ શત્રુઓને પરાજિત કર્યા ત્યારે મેળવેલી લૂંટમાંથી તેમણે ખાધું હોત તો કેવું મોટું પરિણામ આવ્યું હોત. તેમણે કેટલા બધા પલિસ્તીઓ માર્યા હોત.” તે દિવસે ઇઝરાયલીઓ મિખ્માશથી માંડીને આયાલોન સુધી પલિસ્તીઓને મારતા ગયા. ઇઝરાયલીઓ નિર્ગત થઈ ગયા હતા. તેથી તેઓ શત્રુ પાસેથી મેળવેલી લૂંટ પર તૂટી પડયા. તેમણે ઘેટાં, બળદો, અને વાછરડા લઈને સ્થળ પર જ કાપી નાખ્યા અને રક્તવાળું માંસ ખાવા લાગ્યા. શાઉલને કહેવામાં આવ્યું, “જુઓ, લોકો રક્તવાળું માંસ ખાઇને ઈશ્વર વિરુદ્ધ પાપ કરે છે.” શાઉલે કહ્યું, “તમે છેતરપીંડી કરી છે. એક મોટો પથ્થર અહીં ગબડાવી લાવો.” પછી તેણે હુકમ કર્યો, “લોકો મધ્યે જાઓ અને તેમને તેમના બળદ અને ઘેટાં અહીં લાવવા કહો. તેમણે તેમને અહીં કાપીને ખાવાનાં છે. રક્તવાળું માંસ ખાઈને પ્રભુ વિરુદ્ધ પાપ કરવાનું નથી.” તેથી તે રાત્રે તેમણે પોતાના બળદો લાવીને ત્યાં કાપ્યા. શાઉલે ત્યાં પ્રભુને માટે સૌ પ્રથમ વેદી બાંધી. શાઉલે પોતાના માણસોને કહ્યું, “ચાલો, આપણે ઊતરી પડીએ અને પલિસ્તીઓ પર આક્રમણ કરી સવાર સુધી તેના પર મારો ચલાવી તેમને બધાને ખતમ કરી નાખીએ.” કહ્યું, “તમને જે યોગ્ય લાગે તે કરો.” પણ યજ્ઞકારે કહ્યું, “આપણે પ્રથમ ઈશ્વરને પૂછી જોઈએ.” તેથી શાઉલે ઈશ્વરને કહ્યું, “હું પલિસ્તીઓ પર હુમલો કરું? તમે અમને વિજય પમાડશો?” પણ ઈશ્વરે તે દિવસે જવાબ આપ્યો નહિ. પછી શાઉલે લોકોના આગેવાનોને કહ્યું, “અહીં આવો. આજે શું પાપ થયું છે તે શોધી કાઢો. ઇઝરાયલના ઉદ્ધારક જીવતા પ્રભુને નામે હું પ્રતિજ્ઞા કરું છું કે મારો પુત્ર યોનાથાન દોષિત હશે તો તેને પણ મારી નાખવામાં આવશે.” પણ કોઈ કંઈ બોલ્યું નહિ. પછી શાઉલે તેમને કહ્યું, “તમે બધા ત્યાં ઊભા રહો. હું અને યોનાથાન અહીં ઊભા રહીશું.” તેમણે જવાબ આપ્યો, “તમને યોગ્ય લાગે તે કરો.” શાઉલે ઇઝરાયલના ઈશ્વર પ્રભુને કહ્યું, “હે પ્રભુ, તમે મને આજે કેમ જવાબ આપ્યો નહિ? ઇઝરાયલના ઈશ્વર પ્રભુ મને પવિત્ર તક્તીથી જવાબ આપો. જો યોનાથાનનો અથવા મારો દોષ હોય તો ઉરીમથી જવાબ આપો. પણ જો તમારા લોક ઇઝરાયલનો દોષ હોય તો તુમ્મીમથી જવાબ આપો.” જવાબમાં યોનાથાન અને શાઉલનો નિર્દેશ થયો.પણ લોકો નિર્દોષ જણાયા. પછી શાઉલે કહ્યું, “મારા અને મારા પુત્ર યોનાથાન વચ્ચે નિર્ણય આપો.” એટલે યોનાથાન પકડાયો. પછી શાઉલે યોનાથાનને પૂછયું, “તેં શું કર્યું છે?” યોનાથાને જવાબ આપ્યો, “મેં લાકડીથી થોડું મધ ખાધું હતું. હું આ રહ્યો. હું મરવાને તૈયાર છું.” શાઉલે તેને કહ્યું, “જો તને મારી નાખવામાં ન આવે તો ઈશ્વર મને મારી નાખો.” પણ લોકોએ શાઉલને કહ્યું, “શું ઇઝરાયલને આવો મહાન વિજય પમાડનાર યોનાથાનને આજે મારી નાખવામાં આવશે? ના, ના, અમે જીવતા પ્રભુના સોગંદ ખાઈએ છીએ કે તેના માથાનો એક વાળ પણ વાંકો થશે નહિ. તેનું આજનું કાર્ય ઈશ્વરની સહાયથી જ થયું છે.” એમ લોકોએ યોનાથાનને મરતો બચાવ્યો. શાઉલે પલિસ્તીઓનો પીછો કરવો મૂકી દીધો અને પલિસ્તીઓ પોતાના પ્રદેશમાં પાછા ગયા. ઇઝરાયલનો રાજા બન્યા પછી શાઉલે તેના સર્વ શત્રુઓ એટલે કે મોઆબીઓ, આમ્મોનીઓ, અદોમીઓ, સોબાના રાજાઓ અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યાં. જ્યાં જ્યાં તે લડયો ત્યાં ત્યાં તેણે તેમને ભારે હાર આપી. તેણે શૂરાતનપૂર્વક લડીને અમાલેકીઓને હરાવ્યા. તેણે ઇઝરાયલીઓને સર્વ હુમલાખોરોથી બચાવ્યા. યોનાથાન, ઈસ્વી અને માલ્ખીશૂઆ શાઉલના પુત્રો હતા. તેની મોટી પુત્રીનું નામ મેરાબ અને નાની પુત્રીનું નામ મીખાલ હતું. મહિમાસની પુત્રી અહિનોઆમ તેની પત્ની હતી. તેના કાકા નેરનો પુત્ર આબ્નેર તેનો સેનાપતિ હતો. શાઉલનો પિતા કીશ અને આબ્નેરનો પિતા નેર અબીએલના પુત્ર હતા. શાઉલ જીવ્યો ત્યાં સુધી પલિસ્તીઓ સાથે તેને ઉગ્ર જંગ ચાલુ રહ્યો. કોઈ પણ બળવાન કે બહાદુર માણસ તેને મળે તો તે તેને પોતાના લશ્કરમાં દાખલ કરી દેતો. શમુએલે શાઉલને કહ્યું, “પોતાના ઇઝરાયલી લોક પર રાજા તરીકે તારો અભિષેક કરવા પ્રભુએ મને મોકલ્યો હતો. હવે સેનાધિપતિ પ્રભુના આદેશ પર ધ્યાન આપ. ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી આવતા હતા ત્યારે અમાલેકીઓએ તેમનો સામનો કર્યો હતો. એ વાત ઈશ્વરે લક્ષમાં લીધેલી છે. તેથી અમાલેકીઓ પર આક્રમણ કર અને તેમના સર્વસ્વનો પૂરેપૂરો નાશ કર. એકેય વસ્તુ બાકી રાખીશ નહિ. તેમનાં પુરુષો, સ્ત્રીઓ, કિશોરો, નાનાં બાળકો, બળદો, ઘેટાં, ઊંટ અને ગધેડાં એ બધાંને મારી નાંખ, કોઈને ય જીવતું જવા દઈશ નહિ.” શાઉલે તેનાં લશ્કરી દળો બોલાવ્યાં અને તેલાઈમમાં તેમની હાજરી લઈને ગણતરી કરાવી, તો ઇઝરાયલમાંથી બે લાખ સૈનિકો અને યહૂદિયામાંથી દસ હજાર સૈનિકો હતા. પછી તે અને તેના માણસો અમાલેકના નગરમાં ગયા અને છાપો મારવા માટે નદીના સૂકા પટમાં છુપાઈ રહ્યા. તેણે કેનીઓને ચેતવણી આપી, “તમે અમાલેકીઓમાંથી નીકળી જાઓ, જેથી તેમની સાથે હું તમારો નાશ ન કરું, કારણ, ઇઝરાયલીઓ ઇજિપ્તથી આવ્યા ત્યારે તમે તેમના પ્રત્યે માયાળુ હતા. તેથી કેનીઓ નીકળી ગયા. શાઉલે હવીલાથી ઇજિપ્તની પૂર્વમાં આવેલા શૂર સુધી અમાલેકીઓને માર્યા. તેણે અમાલેકના રાજા અગાગને જીવતો પકડયો. પણ સર્વ લોકની ક્તલ કરી નાખી. શાઉલ અને તેના માણસોએ અગાગને જીવતો રહેવા દીધો અને સર્વોત્તમ ઘેટાં, બળદો, વાછરડા, હલવાન અને સારી વસ્તુઓનો નાશ કર્યો નહિ. બિનઉપયોગી અને નકામી બધી વસ્તુઓનો નાશ કર્યો.” પ્રભુએ શમુએલને કહ્યું, “શાઉલને રાજા બનાવ્યાને લીધે મને દુ:ખ થાય છે, તેણે મારાથી વિમુખ થઈને મારી આજ્ઞાઓ પાળી નથી.” શમુએલ ગુસ્સે થયો અને તેણે આખી રાત પ્રભુને આજીજી કરી. *** બીજે દિવસે વહેલી સવારે તે શાઉલને મળવા ઉપડયો. શમુએલને કહેવામાં આવ્યું કે શાઉલે ર્કામેલ જઈને પોતાને માટે સ્મારક બંધાવ્યું છે અને પછી ગિલ્ગાલ ગયો છે. શમુએલ શાઉલને મળવા ગયો એટલે શાઉલે તેને અભિવંદન કર્યું, “પ્રભુ તમને આશિષ આપો, શમુએલ! મેં તેમની આજ્ઞા પૂરેપૂરી પાળી છે.” શમુએલે કહ્યું, “તો પછી હું ઘેટાંની બેં બેં અને બળદોનું બરાડવું કેમ સાંભળું છું?” શાઉલે જવાબ આપ્યો, “મારા માણસોએ અમાલેકીઓ પાસેથી તે મેળવ્યાં છે. તેમણે તમારા ઈશ્વર પ્રભુને અર્પણ ચઢાવવા માટે ઉત્તમ ઘેટાં અને બળદો રાખ્યાં છે, બાકીનાંનો તો અમે સંપૂર્ણ નાશ કર્યો છે.” શમુએલે હુકમ કર્યો, “બસ, પ્રભુએ મને ગઈકાલે રાત્રે જે કહ્યું છે તે જ હું કહીશ.” શાઉલે કહ્યું, “કહો” શમુએલે જવાબ આપ્યો, “જો કે તું પોતાને વિસાત વિનાનો ગણતો હતો તો પણ તને ઇઝરાયલનાં કુળોનો આગેવાન બનાવવામાં આવ્યો. પ્રભુએ તારો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો. તેમણે તને એ દુષ્ટ અમાલેકીઓનો નાશ કરવા માટે મોકલ્યો. તેમનો બધાનો નાશ થાય ત્યાં સુધી લડવાને તેમણે તને કહ્યું હતું. તો પછી તું તેમને કેમ આધીન થયો નથી? લૂંટ પર તૂટી પડીને તેં પ્રભુને ન ગમતું કેમ કર્યું છે?” શાઉલે જવાબ આપ્યો, “હું પ્રભુને આધીન થયો છું. તેમના કહ્યા પ્રમાણે હું ગયો અને અગાગ રાજાને પકડી લાવ્યો અને બધા અમાલેકીઓને મારી નાખ્યા. પણ મારા માણસોએ પકડેલાં ઉત્તમ ઘેટાં અને પ્રાણીઓ મારી ન નાખ્યાં. એને બદલે, અહીં ગિલ્ગાલમાં પ્રભુ તારા ઈશ્વરને અર્પણ ચઢાવવાને તેઓ તેમને લાવ્યા છે.” શમુએલે કહ્યું, “પ્રભુ દહિનબલિ અને બલિદાનોથી પ્રસન્‍ન થાય છે કે તેમની વાણી પળાયાથી થાય છે? સાચે જ, બલિદાન કરતાં આજ્ઞાપાલન વિશેષ સારું છે અને ઘેટાંની ચરબીના અર્પણ કરતાં ઈશ્વરની વાણી પળાય તે વિશેષ યોગ્ય છે. તેમની વિરુદ્ધ બંડ કરવું તે જાદુવિદ્યાના પાપ જેવું જ ખરાબ છે અને અભિમાન મૂર્તિપૂજા જેવું જ ભૂંડું છે. તેં પ્રભુની વાણી નકારી છે માટે તેમણે તને રાજા તરીકે નકાર્યો છે.” શાઉલે જવાબ આપ્યો, “મેં પાપ કર્યું છે. પ્રભુની આજ્ઞા અને તમારી સૂચનાઓનું મેં પાલન કર્યું નથી. મારા માણસોથી ગભરાઈને તેમની ઈચ્છા પ્રમાણે મેં કર્યું. પણ હવે હું આજીજી કરું છું કે મારા પાપની ક્ષમા આપો અને મારી સાથે પાછા ચાલો કે જેથી હું પ્રભુની ભક્તિ કરી શકું.” શમુએલે કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું. તેં પ્રભુની આજ્ઞા પાળી નથી અને તેમણે તને ઇઝરાયલના રાજા તરીકે નકાર્યો છે.” પછી શમુએલ જતો રહેવાને પાછો ફર્યો કે શાઉલે તેના ઝભ્ભાની કિનારી પકડી અને તે ફાટી ગઈ. શમુએલે તેને કહ્યું, “પ્રભુએ આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે અને તારા કરતાં વધારે સારા માણસને આપ્યું છે. ઇઝરાયલના ગૌરવવાન ઈશ્વર જૂઠું બોલતા નથી કે નથી પોતાનું મન બદલતા, તે માણસ નથી કે પોતાનું મન બદલે.” શાઉલે જવાબ આપ્યો, “મેં તો પાપ કર્યું છે. પણ મારા લોકના આગેવાનો અને સર્વ ઇઝરાયલની સમક્ષ મારું માન રાખો. મારી સાથે પાછા ચાલો. જેથી હું તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરી શકું.” તેથી શમુએલ તેની સાથે ગયો અને શાઉલે પ્રભુની ભક્તિ કરી. શમુએલે હુકમ ક્રાયો, “અગાગ રાજાને અહીં મારી પાસે લાવો.” હવે મૃત્યુની કડવાશ જરૂર જતી રહી છે, એવું મનમાં વિચારતો અગાગ ભયથી કાંપતો કાંપતો આવ્યો. શમુએલે કહ્યું, “તારી તલવારે ઘણી માતાઓને પુત્રહીન કરી છે. તેમ હવે તારી માતા પણ પુત્રહીન બનશે.” એમ તેણે ગિલ્ગાલમાં પ્રભુની વેદીની આગળ અગાગના કાપીને ટુકડા કર્યા. પછી શમુએલ રામા ગયો અને શાઉલ રાજા પોતાને ઘેર ગિબ્યામાં ગયો. શમુએલ જીવ્યો ત્યાં લગી તે શાઉલ રાજાને ફરી કદી મળ્યો નહિ, પણ તે તેને માટે દુ:ખી થતો હતો. શાઉલને ઇઝરાયલનો રાજા બનાવવા બદલ પ્રભુને દુ:ખ થયું. પ્રભુએ શમુએલને કહ્યું, “તું શાઉલ વિષે ક્યાં સુધી દુ:ખી થઈશ? મેં તેનો ઇઝરાયલના રાજા તરીકે નકાર કર્યો છે. તું એક શિંગડામાં થોડું ઓલિવનું તેલ લઈને જા. હું તને બેથલેહેમમાં યિશાઈ પાસે મોકલીશ. કારણ, તેના એક પુત્રને મેં રાજા થવા પસંદ કર્યો છે.” શમુએલે કહ્યું, “હું એવું કઈ રીતે કરી શકું? શાઉલ એ જાણશે તો મને મારી નાખશે.” પ્રભુએ જવાબ આપ્યો, “તારી સાથે એક વાછરડી લે અને તું પ્રભુને બલિ અર્પવા આવ્યો છે એમ કહેજે. યિશાઈને બલિ વખતે આમંત્રણ આપજે અને તારે શું કરવું તે હું કહીશ. હું કહું તે માણસનો તું રાજા તરીકે અભિષેક કરજે.” શમુએલે પ્રભુની સૂચના પ્રમાણે કર્યું અને તે બેથલેહેમ ગયો. નગરના આગેવાનો તેને ધ્રૂજતાં ધ્રૂજતાં મળવા આવ્યા અને પૂછયું, “શું તમારું આગમન શાંતિકારક છે?” તેણે જવાબ આપ્યો, “હા, તમારું કલ્યાણ થાઓ. હું પ્રભુને બલિ અર્પવા આવ્યો છું. પોતાને શુદ્ધ કરો અને મારી સાથે યજ્ઞમાં ચાલો.” યિશાઈ અને તેના પુત્રોને પણ તેણે શુદ્ધ કર્યા. કારણ, બલિ અર્પવાના સમયે તેણે તેમને પણ આમંત્રણ આપ્યું હતું. તેઓ આવ્યા એટલે યિશાઈના પુત્ર એલિયાબને જોઈને શમુએલે મનમાં કહ્યું, “પ્રભુનો પસંદ કરેલો માણસ તેમની સમક્ષ છે.” પણ પ્રભુએ તેને કહ્યું, “તેની ઊંચાઈ કે સુંદરતા તરફ ધ્યાન ન આપ. મેં તેનો નકાર કર્યો છે. કારણ, હું માણસની જેમ પસંદગી કરતો નથી. માણસો બહારના દેખાવ તરફ જુએ છે, પણ હું હૃદય તરફ જોઉં છું.” પછી યિશાઈએ પોતાના પુત્ર અબિનાદાબને બોલાવીને શમુએલ આગળ રજૂ કર્યો. પણ શમુએલે કહ્યું, “ના, ઈશ્વરે તેને પણ રાજા તરીકે પસંદ કર્યો નથી.” પછી યિશાઈ શામ્માને લાવ્યો. શમુએલે કહ્યું, “ઈશ્વરે તેને પણ પસંદ કર્યો નથી.” એમ યિશાઈએ તેના સાતેય પુત્રોને શમુએલ આગળ રજૂ કર્યા અને શમુએલે તેને કહ્યું, “ના, ઈશ્વરે આમાંના એકેયને પસંદ કર્યો નથી.” અને પછી શમુએલે તેને પૂછયું, “શું તારે હજી બીજા પુત્રો છે?” યિશાઈએ જવાબ આપ્યો, “હજી સૌથી નાનો બાકી છે. પણ તે ઘેટાં ચરાવવા બહાર ગયો છે.” શમુએલે યિશાઈને કહ્યું, “તેને અહીં બોલાવડાવ; તે આવે ત્યાં સુધી આપણે અર્પણ ચઢાવવાનું નથી.” તેથી યિશાઈએ સંદેશક મોકલીને તેને બોલાવડાવ્યો. તે સુંદર અને તંદુરસ્ત જુવાન હતો અને તેની આંખો ચમક્તી હતી. પ્રભુએ શમુએલને કહ્યું, “આ જ તે છે. તેનો અભિષેક કર.” શમુએલે ઓલિવ તેલ લઈને દાવિદનો તેના ભાઈઓની સમક્ષ અભિષેક કર્યો. એકાએક ઈશ્વરના આત્માએ દાવિદનો કબજો લીધો અને તે દિવસથી તેની સાથે રહ્યો. શમુએલ પાછો રામા ગયો. શાઉલ પાસેથી પ્રભુનો આત્મા જતો રહ્યો અને પ્રભુ તરફથી મોકલાયેલો એક દુષ્ટાત્મા તેને હેરાન કરતો હતો. તેના સેવકોએ તેને કહ્યું, “અમે જોઈએ છીએ કે ઈશ્વર તરફથી મોકલાયેલો દુષ્ટાત્મા તમને હેરાન કરે છે. તેથી અમને હુકમ આપો તો વીણા વગાડવામાં પ્રવીણ હોય એવા માણસને અમે શોધી કાઢીએ, જેથી જ્યારે તમારા પર દુષ્ટાત્મા આવે ત્યારે તે માણસ વીણા વગાડશે અને તમે પાછા સારા થઈ જશો.” શાઉલે તેમને હુકમ કર્યો, “મારી પાસે એક સારો વીણાવાદક શોધી લાવો.” તેના એક જુવાન નોકરે કહ્યું, “બેથલેહેમ નગરના યિશાઈનો એક પુત્ર નિપુણ વીણાવાદક છે. તે બહાદુર માણસ, સારો સૈનિક, સારો વક્તા ને સુંદર પણ છે. પ્રભુ તેની સાથે છે.” તેથી શાઉલે યિશાઈ પાસે સંદેશકો મોકલીને કહેવડાવ્યું કે, “ઘેટાંની સંભાળ લેનાર તારા દીકરા દાવિદને મારી પાસે મોકલ.” યિશાઈએ દ્રાક્ષાસવની એક મશક, એક લવારું અને એક ગધેડા પર ખોરાક લીધાં અને દાવિદની મારફતે શાઉલ પાસે મોકલ્યાં. દાવિદ શાઉલ પાસે આવ્યો અને તેની સેવામાં જોડાયો. શાઉલને તેના પર ખૂબ પ્રેમ હતો અને તેણે તેને પોતાનાં શસ્ત્રો ઊંચકવા રાખ્યો. પછી શાઉલે યિશાઈને સંદેશો મોકલ્યો, “દાવિદ મને ગમે છે. તેને અહીં મારી સેવામાં રહેવા દો.” તે સમયથી દુષ્ટાત્મા શાઉલ પર આવતો ત્યારે દાવિદ તેની વીણા વગાડતો અને દુષ્ટાત્મા જતો રહેતો અને શાઉલને સારું લાગતું અને તે સાજો થઈ જતો. પલિસ્તીઓનાં સૈન્યો યહૂદિયાના સોખો નામના નગરમાં યુદ્ધને માટે એકત્ર થયાં. સોખો અને અઝેકાની વચ્ચે ‘એફેસ-દામીમ’ એટલે ‘લોહિયાળ સરહદ’ નામની જગ્યાએ તેમણે છાવણી કરી. શાઉલ અને ઇઝરાયલીઓએ એકત્ર થઈને પવિત્ર એલા વૃક્ષની ખીણમાં છાવણી નાખી, અને ત્યાં પલિસ્તીઓ સાથે લડવાને તૈયાર થયા. પલિસ્તીઓએ એક પર્વત પર અને ઇઝરાયલીઓએ બીજા પર્વત પર લડાઈનો વ્યૂહ ગોઠવ્યો. વચ્ચે ખીણ હતી. ગાથ નગરનો ગોલ્યાથ નામનો યોદ્ધો ઇઝરાયલીઓને પડકારવાને પલિસ્તીઓની છાવણીમાંથી નીકળી આવ્યો. તે આશરે ત્રણેક મીટર ઊંચો હતો. તેણે તાંબાનો ટોપ અને 50 કિલોગ્રામ વજનનું તાંબાનું બખ્તર પહેર્યું હતું. તેના પગે પણ તેણે રક્ષણને માટે તાંબાનું બખ્તર પહેર્યું હતું અને તેના ખભા પર તાંબાની કટાર લટક્તી હતી. તેના ભાલાનો હાથો વણકરની શાળમાં કપડું વીંટવાના લાકડાના દાંડા જેટલો જાડો હતો અને ભાલાનું લોખંડનું ટોપચું સાત કિલો વજનનું હતું. એક સૈનિક તેની આગળ તેની ઢાલ લઈને ચાલતો. ગોલ્યાથે ઊભા રહીને ઈઝરાયલીઓને પડકાર્યા, “તમે શું જોઈને લડવા માટે એકત્ર થયા છો? હું પલિસ્તી છું. તમે તો શાઉલના નોકર છો. તમારામાંથી એક માણસને મારી સાથે લડવા પસંદ કરો. જો તે જીતી જાય અને મને મારી નાખે તો અમે તમારા ગુલામ બની જઈશું. પણ જો હું જીતું અને તેને મારી નાખું તો તમે અમારા ગુલામ બનશો. હું અત્યારે જ ઇઝરાયલી સૈન્યને પડકાર ફેંકું છું. દ્વંદ્વયુદ્ધ માટે મને એક માણસ પૂરો પાડો.” એ સાંભળીને શાઉલ અને તેના માણસો ગભરાઈને થરથરી ગયા. દાવિદ યહૂદિયાના બેથલેહેમના એફ્રાથી કુળના યિશાઈનો પુત્ર હતો. યિશાઈને આઠ પુત્રો હતા અને શાઉલના અમલ દરમ્યાન તે વયોવૃધ થઈ ચૂકયો હતો. તેના ત્રણ મોટા પુત્રો શાઉલની સાથે લડાઈમાં ગયા હતા. સૌથી મોટા પુત્રનું નામ એલિયાબ, બીજાનું નામ અબિનાદાબ, અને ત્રીજાનું નામ શામ્મા હતું. દાવિદ સૌથી નાનો પુત્ર હતો. તેના ત્રણ મોટાભાઈઓ શાઉલની લશ્કરી સેવામાં હતા, જ્યારે દાવિદ તેના પિતાનાં ઘેટાં ચરાવવાને વારંવાર બેથલેહેમ જતો. ચાલીસ દિવસ સુધી રોજ સવારે અને સાંજે ગોલ્યાથ ઇઝરાયલને પડકારતો રહ્યો. એક દિવસે યિશાઈએ દાવિદને કહ્યું, “દસ કિલો પોંક અને દસ રોટલીઓ લઈને તારા ભાઈઓ પાસે છાવણીમાં સત્વરે જા. વળી, સેનાધિકારી માટે પનીરના આ દસ ટુકડા લઈ જા. તારા ભાઈઓની શું સ્થિતિ છે તેની ખબર કાઢી લાવ અને તું તેમને મળ્યો છે અને તેઓ મઝામાં છે તે દર્શાવવાને નિશાની લઈ આવ. શાઉલ રાજા, તારા ભાઈઓ અને બીજા સર્વ ઇઝરાયલીઓ પવિત્ર એલા વૃક્ષની ખીણમાં પલિસ્તીઓ સાથે યુદ્ધમાં ઊતર્યા છે.” બીજે દિવસે દાવિદ વહેલી સવારે ઊઠયો અને બીજાને ઘેટાંની સંભાળ સોંપીને યિશાઈના કહેવા પ્રમાણે ખોરાક લઈને ઉપડયો. યુદ્ધનો પોકાર કરતાં કરતાં ઇઝરાયલીઓ યુદ્ધની હરોળ પર જતા હતા તે જ વખતે તે છાવણીમાં આવી પહોંચ્યો. પલિસ્તીઓ અને ઇઝરાયલીઓ યુદ્ધને માટે સાબદા થઈ સામસામે આવી ગયા. પુરવઠા અધિકારી પાસે ખોરાક મૂકીને દાવિદ યુદ્ધભૂમિ પર પહોંચી ગયો અને તેના ભાઈઓ પાસે જઈને તેમને અભિવંદન કર્યું. તે તેમની સાથે વાત કરતો હતો એવામાં ગોલ્યાથ નામના ગાથના પલિસ્તી યોદ્ધાએ તેમની સેનામાંથી બહાર આવીને અગાઉની જેમ ઇઝરાયલીઓને પડકાર ફેંકયો. દાવિદે તે સાંભળ્યું. ગોલ્યાથને જોતાં જ ઇઝરાયલીઓ ભયથી નાસભાગ કરવા લાગ્યા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “પેલા યોદ્ધાને જોયો? તે ઇઝરાયલને પડકારવા ચઢી આવ્યો છે. તેને મારનારને રાજા સમૃદ્ધ બનાવશે, પોતાની પુત્રી સાથે તેનું લગ્ન કરાવશે અને તેના પિતાના કુટુંબને સર્વ રાજસેવા અને વેરામાંથી મુક્તિ આપશે.” પોતાની પાસે ઊભેલા માણસોને દાવિદે કહ્યું, “આ પરપ્રજાના પલિસ્તીને મારી નાખનાર અને ઇઝરાયલના આ અપમાનને દૂર કરનાર વ્યક્તિને શું મળશે? જીવંત ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કરનાર આ પરપ્રજાનો પલિસ્તી કોણ છે?” ત્યારે ગોલ્યાથને મારનાર વ્યક્તિને શું મળશે તે તેમણે તેને કહ્યું. દાવિદના સૌથી મોટાભાઈ એલિયાબે તેને પેલા માણસો સાથે વાત કરતાં સાંભળ્યો. તે તેના પર ગુસ્સે થઈને બોલ્યો, “તું અહીં શું કરે છે? ત્યાં વેરાનમાં તારાં ઘેટાં કોણ સંભાળે છે? મને તારી ઉદ્ધતાઈ અને લુચ્ચાઈની ખબર છે. તું તો લડાઈ જોવા આવ્યો છે.” દાવિદે કહ્યું, “મેં પૂછયું એમાં ખોટું શું કર્યું? હું પ્રશ્ર્ન પણ પૂછી ના શકું?” તેણે બીજા માણસ પાસે એ જ પ્રશ્ર્ન પૂછયો અને દરેક વખતે તેને એક જ જવાબ મળ્યો. કેટલાક માણસોએ દાવિદની એ વાત શાઉલને જણાવી. એટલે શાઉલે તેને બોલાવ્યો. દાવિદે શાઉલને કહ્યું, “એ પલિસ્તીથી કોઈએ ગભરાવાની જરૂર નથી. આ તમારો સેવક જઈને તેની સાથે લડશે.” શાઉલે કહ્યું, “ના, ના, તું તેની સાથે કેવી રીતે લડી શકે? તું છોકરો છે અને તે તો આજીવન યોદ્ધો છે.” દાવિદે કહ્યું, “હું તમારો સેવક, મારા પિતાનાં ઘેટાં ચરાવતો ત્યારે સિંહ અથવા રીંછ આવીને ઘેટું ઉઠાવી જાય, ત્યારે હું તેની પાછળ પડીને હુમલો કરતો અને ઘેટાંને બચાવી લેતો. જો સિંહ કે રીંછ મારા પર ત્રાટકે તો હું તેને ગળામાંથી પકડીને મારી નાખતો. મેં સિંહ અને રીંછ માર્યા છે અને જીવંત ઈશ્વરના સૈન્યને પડકારનાર એ પરપ્રજાના પલિસ્તીના હું એમના જેવા જ હાલ કરીશ. પ્રભુએ મને સિંહ અને રીંછથી બચાવ્યો છે, તે મને આ પલિસ્તીથી પણ બચાવશે.” શાઉલે કહ્યું, “ભલે જા. પ્રભુ તારી સાથે હો.” તેણે દાવિદને પોતાનું કવચ પહેરવા માટે આપ્યું. તેણે દાવિદના માથા પર તાંબાનો ટોપ મૂકયો અને પહેરવાને બખ્તર આપ્યું. દાવિદે બખ્તર પર શાઉલની તલવાર લટકાવી જોઈ અને ચાલવા પ્રયત્ન કર્યો, પણ ચાલી શક્યો નહિ. કારણ કે એ પહેરવા તે ટેવાયેલો નહોતો. તેણે શાઉલને કહ્યું, “આ બધું પહેરીને હું લડી શકીશ નહિ, હું તેનાથી ટેવાયેલો નથી.” તેથી તેણે તે ઉતારી મૂકયું. તેણે પોતાની ઘેટાંપાળકની લાકડી લીધી અને ઝરણામાંથી પાંચ સુંવાળા પથ્થર લઈને પોતાની ઝોળીમાં મૂક્યા. પછી હાથમાં ગોફણ લઈને તે ગોલ્યાથનો સામનો કરવા ઉપડયો. પેલો પલિસ્તી દાવિદ તરફ આવવા લાગ્યો, તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો. તે નજીક આવતો ગયો. દાવિદને બરાબર જોતાં જ ગોલ્યાથે તેને પડકાર્યો. કારણ, તે સુંદર અને દેખાવડો છોકરો હતો. તેણે દાવિદને કહ્યું, “એ લાકડી શાને માટે છે? તું મને કૂતરો ધારે છે?” અને તે પોતાના દેવોને નામે દાવિદ પર શાપ વરસાવા લાગ્યો. તેણે દાવિદને પડકાર ફેંકયો, “ચાલ, આવી જા, હું તારું શરીર માંસાહારી પશુઓને અને પક્ષીઓને ખાવા માટે આપીશ.” દાવિદે ઉત્તર આપ્યો, “તું મારી સામે તલવાર, ભાલો અને કટાર લઈને આવે છે, પણ હું તો તેં જેમની નિંદા કરી છે તે ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ યાહવેને નામે તારી સામે આવું છું. આજે જ પ્રભુ તને મારા હાથમાં સોંપી દેશે. હું તને હરાવીશ. તારું માથું કાપી નાખીશ અને પલિસ્તી સૈનિકોનું માંસ હિંસક પક્ષીઓ અને પશુઓને ખાવા માટે આપીશ. ત્યારે આખી દુનિયા જાણશે કે ઇઝરાયલના પ્રભુ જ ઈશ્વર છે. અને અહીં સૌ જાણશે કે પોતાના લોકોને બચાવવાને તેમને તલવાર કે ભાલાની જરૂર નથી. યુદ્ધમાં હંમેશા તે જ વિજેતા છે અને તે તમને બધાને અમારા હાથમાં સોંપી દેશે.” ગોલ્યાથ ફરીથી દાવિદની નજીક આવવા લાગ્યો અને દાવિદ તરત જ પેલા પલિસ્તી સાથે લડવાને તેની તરફ દોડયો. દાવિદે પોતાની ઝોળીમાં હાથ નાખીને એક પથ્થર બહાર કાઢયો અને ગોફણ વીંઝીને તે ગોલ્યાથને માર્યો. એ પથ્થર તેના કપાળમાં વાગ્યો અને તેની ખોપરી તોડી નાખી અને ગોલ્યાથ જમીન પર ઊંધો પડી ગયો. આમ દાવિદ તલવાર વિના ગોફણ અને પથ્થરથી પરપ્રજાના પલિસ્તી ગોલ્યાથ પર વિજયી થયો અને તેનો સંહાર કર્યો. તે દોડીને તેની ઉપર ઊભો રહ્યો, ગોલ્યાથની તલવાર મ્યાનમાંથી ખેંચી કાઢી અને તેનું માથું કાપી નાખીને તેને મારી નાખ્યો. પોતાનો અગ્રેસર યોદ્ધો મરાયો છે એ જોઈને પલિસ્તીઓ ભાગ્યા. ઇઝરાયલ અને યહૂદિયાના માણસો તેમની પાછળ પોકાર કરતા કરતા દોડયા અને છેક ગાથ અને એક્રોનના દરવાજાઓ સુધી તેમનો પીછો કર્યો. છેક ગાથ અને એક્રોન સુધી શઆરીમના માર્ગ પર પલિસ્તીઓ ઘવાઈને પડયા. પલિસ્તીઓનો પીછો મૂકીને ઇઝરાયલીઓ પાછા ફર્યા અને તેમની છાવણીમાં લૂંટ ચલાવી. દાવિદ ગોલ્યાથનું માથું યરુશાલેમ લઈ ગયો. પણ ગોલ્યાથનાં હથિયારો પોતાના તંબૂમાં રાખ્યાં. દાવિદને ગોલ્યાથ સામે લડવા જતો જોઈને શાઉલે પોતાના સેનાપતિ આબ્નેરને પૂછયું, “આબ્નેર, એ કોનો પુત્ર છે?” આબ્નેરે જવાબ આપ્યો, “હે રાજા, આપના જીવના સમ હું જાણતો નથી.” શાઉલે કહ્યું, “તો જઈને શોધી કાઢ.” તેથી ગોલ્યાથને મારી નાખીને દાવિદ છાવણીમાં પાછો ફરતો હતો ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લઈ ગયો. ગોલ્યાથનું માથું હજુ દાવિદના હાથમાં જ હતું. શાઉલે તેને પૂછયું, “એ છોકરા તું કોનો પુત્ર છે?” દાવિદે જવાબ આપ્યો, “હું તમારા સેવક બેથલેહેમના યિશાઈનો પુત્ર છું.” શાઉલ અને દાવિદની વાતચીત પૂરી થઈ, એ પછી શાઉલનો પુત્ર યોનાથાન દાવિદ સાથે એકદિલ થઈ ગયો અને તે દાવિદ પર પોતાની જાત જેટલો જ પ્રેમ કરવા લાગ્યો. તે દિવસથી શાઉલે દાવિદને પોતાની પાસે જ રાખ્યો અને તેના પિતાને ઘેર જવા દીધો નહિ. યોનાથાને દાવિદ સાથે કરાર કર્યો, કારણ, તે દાવિદ પર પોતાના પ્રાણ સમાન પ્રેમ રાખતો હતો. તેણે પોતાનો ઝભ્ભો, બખ્તર, તલવાર, ધનુષ્ય અને કમરપટ્ટો દાવિદને આપ્યાં. શાઉલે સોંપેલા પ્રત્યેક કાર્યમાં દાવિદ કુશળતાપૂર્વક સફળ થતો અને તેથી શાઉલે તેને પોતાના લશ્કરમાં અફસર બનાવ્યો. શાઉલના માણસો અને તેના સર્વ અફસરોને તે ગમ્યું. દાવિદ પલિસ્તી ગોલ્યાથને મારીને પાછો ફર્યો તે પછી સૈનિકો પોતાને ઘેર પાછા આવતા હતા ત્યારે ઇઝરાયલનાં બધાં નગરોમાંથી સ્ત્રીઓ શાઉલને મળવાને આવી. તેઓ આનંદનાં ગીતો ગાતાં ગાતાં નાચતી હતી અને ખંજરી તથા વાંજિત્રો વગાડતી હતી. તેમના ઉત્સવમાં સ્ત્રીઓએ આવું ગીત ગાયું, “શાઉલે માર્યા હજાર, દાવિદે માર્યા દસ હજાર.” શાઉલને આ ગમ્યું નહિ અને તે ખૂબ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, “દાવિદને નવાજવાને માટે તેઓ દસ હજારનો ઉલ્લેખ કરે છે, પણ મારે માટે તો માત્ર હજારનો જ ઉલ્લેખ કરે છે. તે હવે રાજા બને એટલું જ બાકી છે.” એમ તે દિવસથી તે દાવિદને ઈર્ષાની નજરે જોવા લાગ્યો. બીજે દિવસે ઈશ્વરે મોકલેલા દુષ્ટાત્માએ શાઉલનો કબજો લીધો અને તે પોતાના ઘરમાં પાગલની જેમ બકવાસ કરવા લાગ્યો. દરરોજની માફક દાવિદ વીણા વગાડતો હતો અને શાઉલના હાથમાં ભાલો હતો. હું તેને ભીંત સાથે જડી દઈશ, એવું વિચારીને શાઉલે દાવિદ પર ભાલો ફેંકયો. એવું બે વાર બન્યું, પણ બન્‍ને વખતે દાવિદ ઘા ચુકાવી બચી ગયો. શાઉલને દાવિદની બીક લાગતી હતી. કારણ, પ્રભુ દાવિદ સાથે હતા, પણ તેમણે શાઉલનો ત્યાગ કર્યો હતો. તેથી શાઉલે તેને પોતાની તહેનાતમાંથી દૂર કર્યો અને તેને સહસ્રાધિપતિ બનાવ્યો. દાવિદ તેના માણસોને લડાઈમાં લાવવા લઈ જવામાં આગેવાની આપતો અને દાવિદ તેના સર્વ કાર્યમાં સફળ થતો. કારણ, પ્રભુ તેની સાથે હતા. દાવિદની સફળતા જોઈને શાઉલ તેનાથી ગભરાતો હતો. પણ ઇઝરાયલ અને યહૂદિયામાં સૌ દાવિદને ચાહતા, કારણ, લશ્કરી અવરજવરમાં તે એક સફળ આગેવાન હતો. પછી શાઉલે દાવિદને કહ્યું, “મારી મોટી પુત્રી મેરાબ છે. તું શૂરવીર અને વફાદાર સૈનિક તરીકે મારી સેવા કરીશ અને પ્રભુની લડાઈઓ લડીશ એ શરતે હું તેનું તારી સાથે લગ્ન કરાવીશ.” શાઉલના મનમાં એમ હતું કે એ રીતે પલિસ્તીઓ દાવિદને મારી નાખશે અને તેણે પોતે દાવિદને મારી નાખવો પડશે નહિ. દાવિદે જવાબ આપ્યો, “હું કોણ, અને મારું કુટુંબ કોણ કે હું રાજાનો જમાઈ થાઉ?” પણ મેરાબનું લગ્ન કરાવવાનો સમય આવ્યો ત્યારે દાવિદને બદલે મહોલાથના આદીએલ નામના માણસ સાથે તેનું લગ્ન કરાવવામાં આવ્યું. પણ શાઉલની પુત્રી મીખાલ દાવિદના પ્રેમમાં પડી અને એ વિષે સાંભળીને શાઉલ ખુશ થયો. તેણે મનમાં કહ્યું, “હું મીખાલનું દાવિદ સાથે લગ્ન કરાવીશ, તે તેને ફસાવશે અને તે પલિસ્તીઓને હાથે માર્યો જશે.” તેથી શાઉલે બીજીવાર દાવિદને કહ્યું, “તું મારો જમાઈ થશે.” તેણે પોતાના અધિકારીઓને દાવિદની સાથે ખાનગીમાં આવી વાત કરવા હુકમ કર્યો: “રાજા તારા પર ખુશ છે. હવે તેની પુત્રી સાથે તારે લગ્ન કરવાની આ સારી તક છે.” તેથી તેમણે દાવિદને એ કહ્યું અને તેણે જવાબ આપ્યો, “હું તો ગરીબ અને વિસાત વિનાનો છું. મારે માટે રાજાના જમાઈ બનવું એ કંઈ નાનીસૂની વાત છે?” દાવિદે જે કહ્યું તે અધિકારીઓએ શાઉલને જણાવ્યું. અને શાઉલે તેમને દાવિદને આવું કહેવા હુકમ કર્યો, “રાજા કન્યાની કિંમતમાં બીજું કંઈ નહિ પણ માત્ર આટલું જ માગે છે: તેમના દુશ્મનો પર વેર વાળવા માટે સો પલિસ્તીઓને મારી નાખીને પુરાવારૂપે તેમની જનનેદ્રિંયની ચામડી રજૂ કરવી.” દાવિદ પલિસ્તીઓના હાથે માર્યો જાય તે માટે શાઉલે એવો ઘાટ ઘડયો. શાઉલે જે કહ્યું તે તેના અધિકારીઓએ દાવિદને જણાવ્યું અને રાજાના જમાઈ બનવાની વાતથી દાવિદ ખુશ થઈ ગયો. લગ્નના નિયત દિવસ અગાઉ દાવિદ અને તેના માણસોએ જઈને બસો પલિસ્તીઓને માર્યા. તેણે તેમની જનનેદ્રિંયની ચામડી લઈને રાજાની સમક્ષ બધી ગણી બતાવી કે જેથી તે રાજાનો જમાઈ બને. તેથી શાઉલે પોતાની પુત્રી મીખાલનું દાવિદ સાથે લગ્ન કરાવ્યું. શાઉલને સ્પષ્ટ રીતે ખબર પડી કે પ્રભુ દાવિદ સાથે હતા અને તેની પુત્રી મીખાલ તેના પર પ્રેમ કરતી હતી. તેથી તે દાવિદથી વિશેષ ગભરાયો અને જીવનપર્યંત તેનો દુશ્મન રહ્યો. પલિસ્તીઓનાં સૈન્ય આક્રમણ કરતાં તે દરેક વખતે શાઉલના બીજા અધિકારીઓ કરતાં દાવિદ વધારે સફળ થતો અને તેનું નામ ખૂબ જ લોકપ્રિય થઈ પડયું. શાઉલે તેના પુત્ર યોનાથાન અને તેના સર્વ અધિકારીઓને દાવિદને મારી નાખવાના પોતાના ઇરાદાની વાત કરી. પણ યોનાથાન દાવિદને ઘણો ચાહતો હતો. અને તેથી તેણે તેને કહ્યું, “મારા પિતાજી તને મારી નાખવાની તક શોધી રહ્યા છે. આવતી કાલે સવારે સાવધાન રહેજે; ગુપ્ત જગ્યાએ જઈને સંતાઈ જજે. તું જે ખેતરમાં સંતાયો હશે ત્યાં હું મારા પિતાજી સાથે આવીને ઊભો રહીશ અને તેમની સાથે તારા સંબંધી વાત કરીશ. મને કંઈ જાણવા મળશે તો હું તને એ વિષે માહિતગાર કરીશ.” યોનાથાને શાઉલ આગળ દાવિદની પ્રશંસા કરતાં કહ્યું, “પિતાજી, તમારા સેવક દાવિદને તમે કંઈ ઈજા કરશો નહિ. તેણે તમારું કંઈ ભૂંડું કર્યું નથી. એથી ઊલટું, તેનાં સર્વ કાર્યોથી તમને લાભ થયો છે. ગોલ્યાથને મારી નાખવામાં તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો, અને પ્રભુએ ઇઝરાયલને માટે મહાન વિજય હાંસલ કર્યો હતો. એ જોઈને તમે ખુશ પણ થયા હતા. તો પછી દાવિદનું વિના કારણ ખૂન કરીને તમે નિર્દોષ માણસનું લોહી વહેવડાવાનો અપરાધ શા માટે કરો છો?” યોનાથાનનું સાંભળીને શાઉલે પ્રભુને નામે સોગંદ લીધા કે દાવિદને મારી નાખવામાં નહિ આવે. તેથી યોનાથાને દાવિદને બોલાવીને એ બધું જણાવ્યું. પછી તે તેને શાઉલ પાસે લઈ ગયો અને દાવિદ પહેલાંની જેમ રાજાની સેવામાં રહ્યો. પલિસ્તીઓ સાથે ફરીથી લડાઈ ફાટી નીકળી. દાવિદે તેમના પર ત્રાટકીને તેમનો એવો મોટો સંહાર કર્યો કે તેઓ તેની આગળથી ભાગ્યા. એક દિવસે પ્રભુ તરફથી દુષ્ટાત્માએ આવીને શાઉલનો કબજો લીધો. શાઉલ હાથમાં ભાલો લઈને પોતાના ઘરમાં બેઠો હતો અને દાવિદ વીણા વગાડતો હતો. શાઉલે ભાલા વડે દાવિદને ભીંત સાથે જડી દેવા પ્રયત્ન કર્યો પણ દાવિદ હટી ગયો અને ભાલો ભીંતમાં જડાઈ ગયો. દાવિદ નાસી છૂટયો. એ જ રાત્રે દાવિદના ઘરની ચોકી કરવા અને બીજી સવારે તેને મારી નાખવા શાઉલે કેટલાક માણસો મોકલ્યા. દાવિદની પત્ની મીખાલે તેને ચેતવ્યો, “જો તું આજ રાત્રે નાસી નહિ જાય તો આવતીકાલે માર્યો જઈશ.” મીખાલે તેને બારીમાંથી ઉતાર્યો અને તે નાસી છૂટયો. પછી તેણે કુટુંબની તરાફીમ મૂર્તિઓ લઈને પથારી પર સુવાડી, તેને માથે બકરાના વાળમાંથી બનાવેલો તકિયો મૂકયો અને પછી તેને ઢાંકી દીધી. શાઉલના માણસો દાવિદને પકડવા ગયા ત્યારે મીખાલે તેમને કહ્યું, “તે બીમાર છે.” પણ શાઉલે દાવિદને લઈ આવવા તેમને પાછા મોકલ્યા. શાઉલે તેમને કહ્યું, “તેને તેની પથારીમાં અહીં લઈ આવો અને હું તેને મારી નાખીશ.” તેમણે અંદર જઈને જોયું તો પથારીમાં કુટુંબની તરાફીમ મૂર્તિઓ અને તેના માથા આગળ બકરાના વાળનો તકિયો હતો. શાઉલે મીખાલને કહ્યું, “મારા દુશ્મનને નાસી જવા દઈને તેં મને કેમ છેતર્યો છે?” મીખાલે જવાબ આપ્યો, “દાવિદે મને કહ્યું કે જો તું મને નાસી છૂટવામાં મદદ નહિ કરે તો હું તને મારી નાખીશ.” દાવિદ નાસી છૂટીને રામામાં શમુએલ પાસે ગયો અને શાઉલના વર્તન વિષે બધું કહ્યું. પછી તે અને શમુએલ નાયોથમાં જઈને રહ્યા. દાવિદ રામાના નાયોથમાં છે એવું શાઉલે સાંભળ્યું. તેથી તેણે તેની ધરપકડ કરવા કેટલાક માણસો મોકલ્યા. તેમણે શમુએલની આગેવાની હેઠળ ગાનતાનમાં ભાવવિભોર થયેલા સંદેશવાહકોની ટોળી જોઈ. પછી ઈશ્વરના આત્માએ શાઉલના માણસોનો કબજો લીધો અને તેઓ પણ નાચવા તથા પોકારવા લાગ્યા. શાઉલે એ વિષે જાણવા બીજા વધારે સંદેશકો મોકલ્યા, તો તેઓ પણ ગાનતાનમાં ભાવવિભોર થઈ ગયા. તેણે ત્રીજીવાર સંદેશકો મોકલ્યા અને તેઓ પણ તેમ કરવા લાગ્યા. પછી તે પોતે રામા ગયો અને સેખુ પાસેના મોટા કૂવા પાસે આવી પહોંચ્યો. પછી તેણે પૂછયું, “શમુએલ અને દાવિદ ક્યાં છે?” ત્યારે તેને જવાબ મળ્યો, “તેઓ નાયોથમાં છે.” તે ત્યાં જતો હતો ત્યારે ઈશ્વરના આત્માએ તેનો પણ કબજો લીધો અને તે છેક નાયોથ સુધી ભાવવિભોર થઈ ગાનતાન કરવા લાગ્યો. તેણે પોતાના કપડાં કાઢી નાખ્યાં અને શમુએલની સમક્ષ ભાવવિભોર થઈ ગાનતાન કરવા લાગ્યો. તે આખો દિવસ અને આખી રાત નગ્નાવસ્થામાં પડી રહ્યો. તેથી કહેવત પડી કે, “શું શાઉલ પણ સંદેશવાહક છે?” પછી દાવિદ રામાના નાયોથમાંથી નાસી છૂટયો અને યોનાથાન પાસે જઈને તેણે કહ્યું, “મેં શું કર્યુ છે? મેં શો ગુન્હો કર્યો છે? મેં તારા પિતાનું શું બગાડયું છે કે તે મને મારી નાખવા શોધે છે?” યોનાથાને જવાબ આપ્યો, “એવું ન થાય કે તું માર્યો જા. મારા પિતાજી નાનીમોટી બધી બાબતો મને જણાવે છે અને તે આ વાત મારાથી છૂપી રાખે એવું બની શકે નહિ.” પણ દાવિદે સોગન ખાઈને જવાબ આપ્યો, “તારા પિતાજી સારી રીતે જાણે છે કે તું મારા પર ખૂબ પ્રેમ કરે છે અને તને ઊંડો આઘાત ન લાગે તે માટે પોતાની કોઈ યોજના તને નહિ જણાવવાનો તેમણે નિર્ણય કર્યો છે. હું પ્રભુના જીવના સોગંદ ખાઈને કહું છું કે હવે મરણ મારાથી એક ડગલું જ દૂર છે.” યોનાથાને કહ્યું, “તારે માટે હું તારી ઇચ્છા પ્રમાણે કરીશ.” દાવિદે જવાબ આપ્યો, “આવતીકાલે ચાંદ્રમાસના પ્રથમ દિવસનો ઉત્સવ છે અને મારે રાજા સાથે જમવું પડે તેમ છે, પણ તું મને પરમદિવસ સાંજ સુધી ખેતરમાં સંતાઈ રહેવાની રજા આપ. હું જમણમાં હાજર નથી એવી ખબર તારા પિતાને પડે તો તેમને કહેજે કે મેં તાત્કાલિક બેથલેહેમ જવા તારી રજા મેળવી છે. કારણ, મારા આખા કુટુંબને માટે ત્યાં વાર્ષિક યજ્ઞાર્પણનો સમય છે. જો તે કહે કે ‘સારું’ તો હું સલામત હોઈશ. પણ જો તે ગુસ્સે થઈ જાય તો જાણજે કે તેમણે મને ખતમ કરી નાખવાનો નિર્ણય કર્યો છે. મારા પર આટલી કૃપા કર અને તેં પ્રભુની સમક્ષ મારી સાથે કરેલો કરાર તું પાળ. પણ જો હું દોષિત હોઉં તો તું પોતે જ મને મારી નાખ. એ કામ તારા પિતાને શા માટે કરવા દે છે?” યોનાથાને જવાબ આપ્યો, “એવો વિચાર પણ ન કરીશ. મારા પિતાએ તને ઇજા પહોંચાડવાનો નિર્ણય કર્યો છે એની મને ખબર પડે તો હું તને ન કહું?” પછી દાવિદે પૂછયું, “તારા પિતા ગુસ્સે થઈને જવાબ આપશે તેની મને કોણ ખબર આપશે?” યોનાથાને જવાબ આપ્યો, “ચાલ, આપણે ખેતરમાં જઈએ.” તેથી તેઓ ગયા. અને યોનાથાને દાવિદને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આપણા સાક્ષી બનો. આવતીકાલે અને પરમદિવસે હું આ સમયે મારા પિતાને પૂછીશ. જો તારા પ્રત્યે તેમનું વલણ સારું હશે તો હું તને સંદેશો મોકલીશ. જો તે તને ઇજા પહોંચાડવાનો ઇરાદો રાખતા હશે અને હું તને સંદેશો મોકલીને સલામત રીતે ન મોકલી દઉં તો પ્રભુ મારી વિશેષ દુર્દશા કરો. પ્રભુ મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે રહો. અને હવે જો હું જીવતો રહું તો મારા પ્રત્યે પ્રભુના પ્રેમ જેવો પ્રેમ ચાલુ રાખજે અને મને વફાદાર રહેજે. પણ જો હું મૃત્યુ પામું, અને પ્રભુ પૃથ્વીના પટ પરથી દાવિદના દરેક દુશ્મનનો નાશ કરે ત્યારે પણ તું મારા કુટુંબ પ્રત્યે વફાદારી દાખવજે. ત્યારે પણ આપણાં અરસપરસનાં વચન અતૂટ રહો અને પ્રભુ દાવિદના શત્રુઓને શિક્ષા કરો.” યોનાથાને દાવિદ પરના પ્રેમને લીધે ફરી એકવાર દાવિદ સાથેનો કરાર તાજો કર્યો. કારણ, યોનાથાન દાવિદ પર પોતાની જાત જેટલો જ પ્રેમ કરતો હતો. પછી યોનાથાને તેને કહ્યું, “આવતીકાલે ચાંદ્રમાસના પ્રથમ દિવસનો ઉત્સવ છે અને તારી જગ્યા ખાલી હોવાથી તારી ગેરહાજરી વર્તાઈ આવશે. પરમદિવસે તો તારી ગેરહાજરીની વળી વિશેષ ખબર પડશે. તેથી તું પહેલાં જ્યાં સંતાયો હતો ત્યાં પથ્થરોના ઢગલા પાછળ સંતાઈ રહેજે. તે ઢગલાનું નિશાન લઈને હું ત્રણ તીર મારીશ. પછી હું મારા નોકરને તીર શોધવા મોકલીશ. અને હું તેને કહું કે, ‘જો તીર તારી આ બાજુએ છે, તેમને લઈ લે,’ ત્યારે તો તું સલામત છે અને બહાર આવી શકે છે. હું પ્રભુના જીવના સોગંદ લઉં છું કે તું કોઈ જોખમમાં નથી. પણ હું છોકરાને કહું કે, “તીર તારી આગળ પડયું છે’, તો નાસી છૂટજે. કારણ, પ્રભુ તને વિદાય કરે છે. એકબીજા સાથે કરેલા આપણા કરાર વિષે તો પ્રભુ પોતે આપણી વચ્ચે સદાના સાક્ષી છે.” તેથી દાવિદ ખેતરમાં સંતાઈ રહ્યો. ચાંદ્રમાસના પ્રથમ દિવસના ઉત્સવમાં શાઉલ રાજા ભોજનસમારંભમાં આવ્યો. અને ભીંત નજીક પોતાના નિત્યના આસન પર બેઠો. આબ્નેર તેની સામેના આસન પર બેઠો અને યોનાથાન શાઉલની સામે બેઠો. દાવિદની જગ્યા ખાલી હતી. તે દિવસે તો શાઉલે કંઈ કહ્યું નહિ. કારણ, તેણે વિચાર્યું, “તેને કંઈક થયું હશે. કદાચ, તે વિધિગત રીતે શુદ્ધ નહિ હોય; અલબત, એમ જ હશે.” ઉત્સવને બીજે દિવસે પણ દાવિદની જગ્યા ખાલી હતી. અને શાઉલે યોનાથાનને પૂછયું, “દાવિદ ગઈ કાલે કે આજે ભોજનમાં કેમ આવ્યો નથી?” યોનાથાને જવાબ આપ્યો, “તેણે બેથલેહેમ જવા દેવા મને આગ્રહભરી વિનંતી કરી. તેણે કહ્યું, ‘મને કૃપા કરી જવા દે; કારણ, મારું કુટુંબ નગરમાં યજ્ઞાર્પણની મિજબાની ઊજવે છે. અને મારા ભાઈએ મને ત્યાં હાજર રહેવા આજ્ઞા કરી છે. તેથી જો તને મારે માટે લાગણી હોય તો મને જઈને મારા સંબંધીઓને મળવા જવા દે’, એટલે જ તે રાજાના ભોજનમાં હાજર નથી.” યોનાથાન પર શાઉલનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેણે કહ્યું કે, “તું યિશાઈના પુત્ર દાવિદનો પક્ષ લઈને તારી અને તારી માની આબરૂ કાઢવા બેઠો છે? યિથાઈનો પુત્ર દાવિદ ધરતી પર જીવે છે ત્યાં સુધી તું કે તારું રાજ્યાસન સલામત નથી. તો હવે જા અને તેને અહીં લાવ, તેને ખતમ કરી દેવો પડશે.” યોનાથાને જવાબ આપ્યો, “તેને શા માટે મારી નાખવો જોઈએ? તેણે શું કર્યું છે?” એ સાંભળીને શાઉલે યોનાથાનને મારી નાખવા તેના પર પોતાનો ભાલો ફેંકયો. તેથી યોનાથાનને ખબર પડી કે તેના પિતાએ દાવિદને મારી નાખવાનો નિર્ધાર કર્યો છે. તે દિવસે એટલે ઉત્સવને બીજે દિવસે કંઈ જમ્યા વિના યોનાથાન ગુસ્સામાં ભોજન પરથી ઊઠી ગયો. શાઉલે દાવિદનું અપમાન કર્યું હોવાથી તેને ઊંડું દુ:ખ થયું. બીજે દિવસે સવારે તેઓ સંમત થયા હતા તે મુજબ યોનાથાન દાવિદને મળવા ખેતરમાં ગયો. તેણે પોતાની સાથે એક છોકરો લીધો. અને તેને કહ્યું, “હું તીર મારું છું તે દોડીને શોધી લાવ.” છોકરો દોડયો અને યોનાથાને તેની પેલી બાજુએ તીર માર્યું. છોકરો તીર જ્યાં પડયું હતું ત્યાં પહોંચ્યો ત્યારે યોનાથાને તેને પોકારીને કહ્યું, “જો, તારી આગળ પડયું છે. જલદી કર. ઊભો ના રહીશ.” છોકરો તીર લઈને પોતાના માલિક પાસે પાછો આવ્યો. આ બધાનો શો અર્થ હતો તે છોકરો જાણતો નહોતો. ફક્ત યોનાથાન અને દાવિદ જાણતા હતા. યોનાથાને છોકરાને પોતાનાં શસ્ત્રો આપ્યાં અને તેને નગરમાં પાછાં લઈ જવા જણાવ્યું. છોકરાના ગયા પછી દાવિદ પથ્થરોના ઢગલા પાછળથી નીકળી આવ્યો અને યોનાથાનને ભૂમિ પર શિર ટેકવીને તેને ત્રણવાર નમન કર્યું. દાવિદ અને યોનાથાને એકબીજાને ભેટીને ચુંબન કર્યું અને રડવા લાગ્યા. યોનાથાન કરતાં પણ દાવિદ વધારે રડયો. પછી યોનાથાને દાવિદને કહ્યું, “શાંતિએ જા. આપણે બન્‍નેએ મારી અને તારી વચ્ચે તથા મારા વંશજો અને તારા વંશજો વચ્ચે યાહવેને સદાના સાક્ષી રાખીને તેમને નામે સમ ખાધા છે. તો આપણે એ સોગંદ પાળીએ.” પછી દાવિદ ગયો અને યોનાથાન નગરમાં પાછો આવ્યો. દાવિદ અહિમેલેખ યજ્ઞકાર પાસે નોબમાં ગયો. અહિમેલેખ તેને ધ્રૂજતો ધ્રૂજતો મળવા આવ્યો અને પૂછયું, “તું એકલો જ અહીં કેમ આવ્યો છે? તારી સાથે કોઈ કેમ નથી?” દાવિદે જવાબ આપ્યો, “હું અહીં રાજાના કામે આવ્યો છું. મને શા માટે મોકલ્યો છે તે કોઈને ન કહેવા તેણે મને કહ્યું છે. મારા માણસોને તો મેં અમુક જગ્યાએ મળવા કહ્યું છે. તો હવે તારી પાસે કંઈ ખાવાનું છે? પાંચ રોટલી અથવા તારી પાસે જે કાંઈ હોય તે તું મને આપ.” યજ્ઞકારે કહ્યું, “મારી પાસે સામાન્ય રોટલી નથી, પણ માત્ર પવિત્ર રોટલી છે; તારા માણસોએ તાજેતરમાં સ્ત્રીસમાગમ ન કર્યો હોય તો તું તે લઈ શકે છે.” દાવિદે જવાબ આપ્યો, “અલબત, આ ત્રણ દિવસ દરમિયાન તેઓ તેનાથી દૂર જ છે. અમે સામાન્ય કામ માટે જતા હોઈએ તો પણ મારા માણસો પોતાને વિધિગત રીતે શુદ્ધ રાખે છે. આ ખાસ કામે નીકળ્યા છીએ ત્યારે તો તેઓ કેટલા વિશેષ શુદ્ધ હશે.” તેથી યજ્ઞકારે દાવિદને પવિત્ર રોટલી આપી. કારણ, એ દિવસે પ્રભુની સમક્ષ તાજી અર્પિત રોટલી હતી; ઉપાડી લીધેલી વાસી અર્પિત રોટલી તેની પાસે નહોતી. શાઉલનો મુખ્ય પશુપાલક દોએગ અદોમી તે દિવસે ત્યાં હતો. કારણ, ત્યાં તેને પ્રભુ સમક્ષ ધાર્મિક માનતા પૂરી કરવા રોકાવું પડયું હતું. દાવિદે અહિમેલેખને કહ્યું, “તું મને ભાલો કે તલવાર હોય તો આપીશ? રાજાના હુકમ પ્રમાણે મારે ઉતાવળે નીકળવું પડયું હોવાથી મારી પાસે તલવાર કે બીજું કોઈ શસ્ત્ર નથી.” અહિમેલેખે જવાબ આપ્યો, “ગોલ્યાથ પલિસ્તી, જેને તેં પવિત્ર એલા વૃક્ષની ખીણમાં મારી નાખ્યો હતો, તેની તલવાર મારી પાસે છે. એફોદની પાછળ તે વસ્ત્રમાં લપેટેલી છે. તારે તે જોઈએ તો લઈ જા, આ એક જ શસ્ત્ર અહીં છે.” દાવિદે કહ્યું, “મને તે આપ; એના જેવી બીજી એકપણ નથી.” એમ દાવિદ શાઉલ પાસેથી નાસી છૂટયો, અને ગાથના રાજા આખીશ પાસે ગયો. રાજાના અધિકારીઓએ આખીશને કહ્યું, “શું આ, એ દેશનો રાજા દાવિદ નથી? સ્ત્રીઓએ નૃત્ય કરતાં કરતાં જેના વિષે ગાયું હતું કે, ‘શાઉલે માર્યા હજાર, દાવિદે માર્યા દસ હજાર’ તે આ જ માણસ છે.” તેમના શબ્દો દાવિદે ધ્યાનમાં લીધા અને તે આખીશ રાજાથી ખૂબ ગભરાયો. તેથી દાવિદે સર્વની સમક્ષ પાગલ હોવાનો ઢોંગ કર્યો અને તેને અટકાવવાનો તેમણે પ્રયાસ કર્યો ત્યારે તે પાગલની જેમ વર્ત્યો. તેણે નગરના દરવાજા પર લીટા દોર્યા અને પોતાની દાઢી પર થૂંક ટપકવા દીધું. તેથી આખીશે તેના અધિકારીઓને કહ્યું, “જુઓ, આ તો પાગલ છે. તમે તેને મારી પાસે શા માટે લાવ્યા છો? મારે ત્યાં પાગલોની ખોટ છે કે તમે તેને મારી સમક્ષ પાગલપણું કરવા લાવ્યા છો? શું એવાને મારા ઘરમાં રાખવાનો છે?” ગાથ નગરમાંથી નાસી જઈને દાવિદ અદુલ્લામ નગર નજીકની ગુફામાં ગયો. તે ત્યાં છે એ સાંભળીને તેના ભાઈઓ અને કુટુંબના બાકીના બધાં તેની સાથે જોડાયાં. વળી, જેમના પર જુલમ ગુજારવામાં આવ્યો હોય, દેવાદાર હોય અને અસંતુષ્ટ હોય તેવા સૌ તેની પાસે ગયા અને તે તેમનો આગેવાન બન્યો. તેઓ બધા મળીને લગભગ ચારસો પુરુષો હતા. દાવિદ ત્યાંથી મોઆબમાંના મિસ્પામાં ગયો. તેણે મોઆબના રાજાને કહ્યું, “ઈશ્વર મારે માટે શું કરશે તેની મને ખબર પડે ત્યાં સુધી કૃપા કરીને મારાં માતાપિતાને અહીં તમારી પાસે રહેવા દો.” એમ દાવિદે પોતાનાં માતાપિતાને મોઆબના રાજાની પાસે રાખ્યાં, અને દાવિદ ગુફામાં સંતાતો રહ્યો ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યાં. ગાદ સંદેશવાહકે દાવિદ પાસે આવીને કહ્યું, “અહીં ગુફામાં રહીશ નહિ, યહૂદિયા પ્રાંતમાં તાત્કાલિક જતો રહે.” તેથી દાવિદ ત્યાંથી હેરેથનાં જંગલમાં જતો રહ્યો. શાઉલ ગિબ્યામાં એક ટેકરી પર હાથમાં ભાલો લઈને પ્રાંસ વૃક્ષ નીચે બેઠો હતો. તેના સર્વ અમલદારો તેની આજુબાજુ ઊભા હતા. દાવિદ અને તેના માણસોનો પત્તો લાગ્યો છે એવું તેને જણાવવામાં આવ્યું. તેણે પોતાના અમલદારોને કહ્યું, “હે બિન્યામીનના માણસો, સાંભળો. શું તમે એમ માનો છો કે યિશાઈનો પુત્ર દાવિદ તમને બધાંને ખેતરો અને દ્રાક્ષવાડીઓ આપશે અને પોતાના લશ્કરમાં સહસ્રાધિપતિ કે શતાધિપતિ બનાવશે? તમે એને લીધે મારી વિરુદ્ધ કાવતરું રચો છો? દાવિદ સાથે મારા પોતાના પુત્રે સમજૂતી કરી છે એ વાત તમારામાંથી કોઈએ મને કરી નહિ. કોઈ મારી ચિંતા કરતું નથી અથવા મારા માણસોમાંનો એક, એટલે દાવિદ હાલ મને મારી નાખવાની તક શોધી રહ્યો છે અને મારા પુત્રે તેને ઉત્તેજન આપ્યું છે એવું કોઈ મને કહેતું નથી!” દોએગ અદોમી શાઉલના અમલદારો સાથે ત્યાં ઊભો હતો. તેણે કહ્યું, “દાવિદ નોબમાં અહિટૂબના પુત્ર અહિમેલેખ પાસે ગયો ત્યારે મેં તેને જોયો હતો. દાવિદ માટે અહિમેલેખે પ્રભુની સલાહ પૂછી હતી અને પછી દાવિદને કંઈક ખોરાક આપ્યો હતો અને ગોલ્યાથ પલિસ્તીની તલવાર આપી હતી.” તેથી શાઉલે અહિમેલેખ યજ્ઞકાર અને નોબમાં યજ્ઞકારો તરીકે કામ કરતાં તેના બધાં સગાંસંબંધીઓને બોલાવડાવ્યા. અને તેઓ તેની પાસે આવ્યા. શાઉલે અહિમેલેખને કહ્યું, “હે અહિટૂબના પુત્ર, અહિમેલેખ, સાંભળ.” તેણે જવાબ આપ્યો, “જી, રાજન.” શાઉલે તેને પૂછયું, “તેં અને દાવિદે મારી વિરુદ્ધ કાવતરું કેમ ઘડયું છે? તેં એને રોટલી અને તલવાર કેમ આપ્યાં અને તેને માટે ઈશ્વરની સલાહ કેમ પૂછી? હવે તે મારી વિરુદ્ધમાં પડયો છે અને તક મળે તે માટે સંતાઈને રાહ જુએ છે.” અહિમેલેખે જવાબ આપ્યો, “દાવિદ તમારો સૌથી વિશ્વાસુ અમલદાર છે. તે તમારો જમાઈ અને તમારા અંગરક્ષકોનો ઉપરી છે અને રાજદરબારમાં સૌ કોઈ તેનું ખૂબ આદરમાન કરે છે. આ વખતે મેં કંઈ પ્રથમ જ વાર તેને માટે ઈશ્વરની સલાહ પૂછી નહોતી. મારી કે મારા કુટુંબમાંના કોઈની પર તમારી વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ રાજાએ ન મૂકવો જોઈએ. આ વાત વિષે હું કંઈ જાણતો નથી.” રાજાએ કહ્યું, “અહિમેલેખ, તને અને તારાં સર્વ સંબંધીઓને મારી નાખવામાં આવશે.” પછી પોતાની પાસે ઊભેલા સંરક્ષકોને તેણે કહ્યું, “પ્રભુના યજ્ઞકારોને મારી નાખો. તેઓ દાવિદની સાથે કાવતરામાં જોડાયા અને તે નાસી ગયો ત્યારે તેઓ તે બધું જાણતા હોવા છતાં મને કહ્યું નહિ.” પણ સંરક્ષકો પ્રભુના યજ્ઞકારોને મારી નાખવા પોતાનો હાથ ઉપાડવા તૈયાર ન થયા. તેથી શાઉલે દોએગને કહ્યું, “તું તેમને મારી નાખ.” એટલે અદોમી દોએગે તેમને બધાને મારી નાખ્યા. તે દિવસે તેણે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રનો એફોદ પહેરનાર પ્રભુના પંચ્યાસી યજ્ઞકારોને મારી નાખ્યા. શાઉલે યજ્ઞકારોના નગર નોબના બીજા સર્વ રહેવાસીઓને મારી નાખ્યા. પુરુષો અને સ્ત્રીઓ, કિશોર વયનાં અને નાનાં બાળકો, બળદો, ગધેડાં અને ઘેટાં બધાંનો સંહાર કર્યો. પણ અહિટૂબના પુત્ર અહિમેલેખનો એક પુત્ર અબ્યાથાર નાસી છૂટયો અને જઈને દાવિદ પાસે પહોંચી ગયો. શાઉલે પ્રભુના યજ્ઞકારોની ક્તલ કરી છે તે તેણે દાવિદને જણાવ્યું. દાવિદે તેને કહ્યું, “તે દિવસે મેં ત્યાં દોએગને જોયો ત્યારે મને ખબર હતી કે તે જરૂરથી શાઉલને કહી દેશે. તેથી તારા સર્વ સંબંધીઓના મરણ માટે હું જવાબદાર છું. મારી સાથે રહે અને ગભરાઈશ નહિ. શાઉલ આપણને બંનેને મારી નાખવા માગે છે, પણ મારી સાથે તો તું સલામત રહેશે.” પલિસ્તીઓ કઈલા નગર પર હુમલો કરીને પાક ચોરી જાય છે એવું દાવિદે સાંભળ્યું. તેથી તેણે પ્રભુને પૂછયું, “હું જઈને પલિસ્તીઓ પર હુમલો કરું?” પ્રભુએ જવાબ આપ્યો, “હા, જા, તેમના પર હુમલો કરીને કઈલાનો બચાવ કર.” પણ દાવિદના માણસોએ તેને કહ્યું, “અહીં યહૂદિયામાં જ આપણે ઘણા ભયમાં છીએ. કઈલા જઇને પલિસ્તીઓનાં દળો પર હુમલો કરીને તો ભારે જોખમમાં આવી પડીશું.” તેથી દાવિદે ફરીથી પ્રભુને પૂછી જોયું અને પ્રભુએ તેને કહ્યું, “જઈને કઈલા પર હુમલો કર. કારણ, આજે હું તને પલિસ્તીઓ પર વિજય પમાડીશ.” તેથી દાવિદ અને તેના માણસોએ કઈલા જઈને પલિસ્તીઓ પર હુમલો કરીને તેમનો ભારે સંહાર કર્યો અને તેમનાં ઢોરઢાંક લઈ લીધાં અને એમ દાવિદે એ નગરનો બચાવ કર્યો. અહિમેલેખનો પુત્ર અબ્યાથાર નાસી છૂટયો હતો ત્યારે તે એફોદ લઈને કઈલામાં દાવિદ પાસે ગયો. દાવિદ કઈલા ગયો છે એવું શાઉલના જાણવામાં આવતાં તેણે મનમાં કહ્યું, “ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે. કિલ્લેબંધી અને દરવાજાવાળા નગરમાં જઇને દાવિદ પોતે ફસાયો છે.” તેથી શાઉલે પોતાના લશ્કરની ટુકડીઓને કઈલા પર ચડાઈ કરી દાવિદ અને તેના માણસોને ઘેરો ઘાલી યુદ્ધ કરવા સાબદી કરી. શાઉલ તેના પર હુમલો કરવાની પેરવી કરે છે એવું સાંભળીને દાવિદે અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “એફોદ અહીં લાવ.” પછી દાવિદે કહ્યું, “હે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, શાઉલ કઇલા આવવાની પેરવી કરે છે એવું મેં સાંભળ્યું છે અને તમારા આ સેવકને લીધે કઈલાનો નાશ કરવાનો છે. શું કઈલાના નાગરિકો મને શાઉલના હાથમાં સોંપી દેશે? મેં સાંભળ્યું છે તેમ શાઉલ શું ખરેખર આવશે? પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, મને જવાબ આપો એવી મારી આજીજી છે.” પ્રભુએ જવાબ આપ્યો, “શાઉલ આવશે.” દાવિદે પૂછયું, “શું કઈલાના નગરજનો મારા માણસોને અને મને શાઉલના હાથમાં સોંપી દેશે?” પ્રભુએ જવાબ આપ્યો, “હા, સોંપી દેશે.” તેથી દાવિદ અને તેના માણસો, જેઓ બધા મળીને લગભગ છસો જણ હતા તેમણે તરત જ કઈલા છોડયું અને આગળ વયા. દાવિદ કઈલામાંથી નીકળીને નાસી છૂટયો છે એવું સાંભળતાં શાઉલે પોતાની યોજના પડતી મૂકી. દાવિદ વેરાનપ્રદેશમાં જ રહ્યો. તે ઝીફના વેરાનપ્રદેશમાં પહાડના મજબૂત ગઢોમાં સંતાઈ રહ્યો. શાઉલ તેની નિત્ય શોધ કરતો રહ્યો, પણ ઈશ્વરે દાવિદને તેના હાથમાં સોંપ્યો નહિ. દાવિદને ખબર હતી કે શાઉલ તેને મારી નાખવા પાછળ પડયો છે. દાવિદ ઝીફ નજીક વેરાન પ્રદેશમાં હોરેશમાં હતો. શાઉલના પુત્ર યોનાથાને ત્યાં જઇને ઈશ્વર તેનું રક્ષણ કરશે એમ કહીને તેને હિંમત આપી. યોનાથાને તેને કહ્યું, “ગભરાઈશ નહિ, મારા પિતા શાઉલ તને કંઈ નુક્સાન કરી શકશે નહિ. મારા પિતા પણ જાણે છે કે તું ઇઝરાયલનો રાજા બનશે અને હું તારાથી બીજા સ્થાને હોઈશ.” પછી તેમણે એકબીજાની સાથે પ્રભુની સમક્ષ કરાર કર્યો. દાવિદ હોરેશમાં રહ્યો અને યોનાથાન ઘેર ગયો. ઝીફના કેટલાક માણસોએ શાઉલ પાસે ગિબ્યામાં જઈને કહ્યું, “દાવિદ અમારી મધ્યે યહૂદિયાના વેરાનપ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલા હખીલા પર્વત પર હોરેશના ગઢોમાં સંતાઈ રહ્યો છે. રાજા, અમારા માલિક, અમે જાણીએ છીએ તમે તેને પકડવા કેવા આતુર છો. તેથી અમારા પ્રદેશમાં આવો અને અમે તેને તમારા હાથમાં ચોક્કસ પકડાવી દઈશું.” શાઉલે જવાબ આપ્યો, “મારા પ્રત્યે આવી લાગણી દર્શાવવા માટે પ્રભુ તમને આશિષ આપો. જાઓ, જઇને ફરીથી ખાતરી કરો. તે ક્યાં છે અને કોણે તેને ત્યાં જોયો છે તે ચોક્કસ રીતે શોધી કાઢો. મને જાણવા મળ્યું છે કે તે બહુ ચતુરાઈથી વર્તે છે. તેની સંતાવાની ચોક્કસ જગ્યાઓ શોધી કાઢો અને મારી પાસે વિના વિલંબે પાછા આવો. પછી હું તમારી સાથે આવીશ અને જો તે તે પ્રદેશમાં જ હશે તો યહૂદિયાનાં સર્વ ગોત્રોમાં ફરી વળવું પડે તો પણ હું તેમ કરીને તેને પકડી પાડીશ.” તેથી તેઓ ત્યાંથી નીકળીને શાઉલની અગાઉ ઝીફમાં પાછા આવ્યા. હવે દાવિદ અને તેના માણસો માઓનના વેરાનપ્રદેશના ગઢોના દક્ષિણ ભાગમાં આવેલી અરાબાની ખીણમાં હતા. શાઉલ અને તેના માણસો દાવિદની શોધમાં નીકળ્યા. પણ દાવિદ તે વિષે સાંભળીને માઓનના વેરાનપ્રદેશના ખડકાળ કોતરમાં જતો રહ્યો. એ સાંભળીને શાઉલે દાવિદનો પીછો પકડયો. શાઉલ અને તેના માણસો પર્વતની એક બાજુએ હતા. તેઓ શાઉલ અને તેના માણસોથી નાસી છૂટવાની ઉતાવળમાં હતા. કારણ, તેઓ તેમને ભીંસમાં લઈ રહ્યા હતા અને તેમને પકડી પાડવાની તૈયારીમાં હતા. એ જ વખતે એક સંદેશકે આવીને શાઉલને કહ્યું, “તાત્કાલિક પાછા ફરો. પલિસ્તીઓએ દેશ પર હુમલો કર્યો છે.” તેથી શાઉલ દાવિદનો પીછો છોડી દઈને પલિસ્તીઓ સાથે લડવા ગયો. તેથી તે જગ્યાને ‘સેલા હામ્મા હલકોથ’ એટલે ‘અલગતાનો ખડક’ કહે છે. દાવિદ ત્યાંથી એનગેદીના ગઢોમાં જઇને સંતાઈ રહ્યો. પલિસ્તીઓ સામેની લડાઇમાંથી પાછા ફર્યા પછી શાઉલને ખબર મળી કે દાવિદ એનગેદી નજીકના વેરાન પ્રદેશમાં છે. શાઉલ ઇઝરાયલમાંથી ત્રણ હજાર યોદ્ધાઓ લઈને ‘જંગલી બકરાના ખડકો’ની પૂર્વમાં દાવિદ અને તેના માણસોની શોધ કરવા ગયો. તે એક ગુફાની નજીક રસ્તા પર આવેલા ઘેટાંના વાડાઓ પાસે આવ્યો અને તે કુદરતી હાજતે જવા ગુફાની અંદર ગયો. દાવિદ અને તેના માણસો ગુફામાં અંદરના ભાગમાં સંતાઈ રહ્યા હતા. દાવિદના માણસોએ દાવિદને કહ્યું, “પ્રભુએ તને જે કહ્યું હતું તેનો આ દિવસ છે. પ્રભુએ તને કહ્યું હતું કે તે તારા શત્રુઓને તારા હાથમાં સોંપી દેશે અને તને ફાવે તેમ તું તેને કરી શકીશ. દાવિદે છાનામાના શાઉલના ઝભ્ભામાંથી એક ટુકડો કાપી લીધો. પણ ત્યારે દાવિદને તેનું અંત:કરણ ડંખવા લાગ્યું અને તેણે પોતાના માણસોને કહ્યું, “મારા માલિકને પ્રભુએ રાજા તરીકે પસંદ કર્યો છે. તેથી તેને કંઈપણ ઈજા કરવાથી પ્રભુ મને બચાવો. તે પ્રભુ દ્વારા પસંદ કરાયેલ અભિષિક્ત રાજા હોવાથી મારે તેને કંઈ નુક્સાન કરવું જોઈએ નહિ.” તેથી પોતાના માણસો શાઉલ પર ત્રાટકી ન પડે તે માટે દાવિદે તેમને અટકાવ્યા. શાઉલે ઊઠીને ગુફામાંથી ચાલવા માંડયું. દાવિદે તેની પાછળ પાછળ બહાર આવીને તેને બોલાવ્યો, “હે રાજા, મારા માલિક!” શાઉલે પાછા ફરીને જોયું અને દાવિદે તેને માન આપતાં ભૂમિ પર શિર ટેકવીને નમન કર્યું. તેણે કહ્યું, “હું તમને નુક્સાન કરવા માગું છું એવું કહેનાર લોકોનું તમે કેમ સાંભળો છો? તમે પોતે જોઈ શકો છો કે આજે ગુફામાં પ્રભુએ તમને મારા હાથમાં સોંપી દીધા હતા. મારા કેટલાક માણસોએ તમને મારી નાખવા મને કહ્યું, પણ મેં તમને જીવતદાન આપ્યું. કારણ, મેં વિચાર્યું કે તમે પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજા છો અને તેથી મારે તમને કંઈ ઇજા કરવી જોઈએ નહિ. મારા પિતા, તમારા ઝભ્ભાનો ટુકડો મારા હાથમાં છે તે જુઓ. મેં એ ટુકડો કાપી લીધો, પણ તમને મારી નાખ્યા નહિ. એ પરથી તમને ખાતરી થવી જોઈએ કે તમારી વિરુદ્ધ બંડ કરવાનો અથવા તમને ઈજા પહોંચાડવાનો મારો ઇરાદો નથી. તમે મને મારી નાખવા મારો પીછો કરો છો. પણ મેં તો તમારું કંઈ ભૂંડુ કર્યું નથી. આપણા બેમાં કોણ ખોટું છે એનો પ્રભુ ન્યાય કરો. હું તમને કંઈ નુક્સાન કરવાનો નથી. માટે મારી વિરુધના તમારા કૃત્ય માટે ઈશ્વર તમને શિક્ષા કરો. પેલી જૂની કહેવત તો તમે જાણો છો: ‘ભૂંડા માણસો જ ભૂંડું કરે છે.’ પણ હું તમને નુકશાન પહોંચાડવાનો નથી. જુઓ તો ખરા કે ઇઝરાયલનો રાજા કોને મારવા પ્રયાસ કરે છે. તે કોનો પીછો કરે છે તે તો જુઓ. એક મરેલા કૂતરાનો? એક ચાંચડનો? પ્રભુ ન્યાય કરશે અને આપણા બેમાંથી કોણ ખોટું છે તેનો નિર્ણય કરશે. તે મારી હિમાયત કરશે, મારું રક્ષણ કરશે અને મને તમારા હાથમાંથી બચાવશે.” દાવિદ બોલી રહ્યો એટલે શાઉલે કહ્યું, “મારા પુત્ર દાવિદ, શું એ તારો અવાજ છે?” અને તે રડવા લાગ્યો. પછી તેણે દાવિદને કહ્યું, “તું મારા કરતાં વધારે સાચો છે. તેં મારું ભલું કર્યું છે પણ મેં તારું ભૂંડું કર્યું છે. તું કેટલો ભલો છે તે તેં મને આજે કહી બતાવ્યું છે. કારણ, પ્રભુએ મને તારા હાથમાં સોંપ્યો હોવા છતાં તેં મને મારી નાખ્યો નહિ. કોઈ માણસ કેટલીવાર તેના શત્રુને પકડીને તેને સલામત રીતે જવા દે? આજે મારા પ્રત્યે તેં દર્શાવેલ વર્તાવને બદલે પ્રભુ તને સારો બદલો આપો. હવે મને ખાતરી થઇ કે તું ઇઝરાયલનો રાજા થવાનો છે અને તારા શાસન હેઠળ રાજ્ય સ્થિર થશે. પણ પ્રભુને નામે આજે મને વચન આપ કે તું મારા વંશજોને જીવતા રહેવા દેશે; જેથી મારા પિતૃ કુટુંબમાંથી મારું નામ સદંતર નષ્ટ ન થઇ જાય.” દાવિદે તે પ્રમાણે વચન આપ્યું. પછી શાઉલ પોતાને ઘેર ગયો અને દાવિદ તથા તેના માણસો પોતાના સંતાવાના ગઢમાં પાછા ફર્યા. શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલીઓએ એકઠા થઈને તેને માટે શોક કર્યો. પછી તેમણે શમુએલને તેના વતન રામામાં દફનાવ્યો. દાવિદ અને અબિગાઇલ એ પછી દાવિદ પારાનના વેરાનપ્રદેશમાં ગયો. કાલેબના ગોત્રનો નાબાલ નામે એક માણસ હતો. તે માઓન નગરનો હતો. તે બહુ ધનવાન હતો અને તેનું બધું પશુધન ર્કામેલમાં હતું. તેની પાસે ત્રણ હજાર ઘેટાં અને એક હજાર બકરાં હતાં. તે ર્કામેલમાં ઘેટાંનું ઊન ઉતારતો હતો. તેની પત્નીનું નામ અબિગાઈલ હતું. તે સુંદર અને હોશિયાર હતી. પણ તેનો પતિ ઉદ્ધત અને દુરાચારી હતો. નાબાલ ર્કામેલમાં પોતાનાં ઘેટાંનું ઊન ઉતારતો હતો. *** દાવિદ વેરાનપ્રદેશમાં હતો અને ત્યાં તેણે તે વિષે જાણ્યું. તેથી દાવિદે તેના દસ જુવાનોને ર્કામેલમાં નાબાલ પાસે જઇને પોતાને નામે તેને શુભેચ્છા પાઠવવા અને આવું કહેવા મોકલ્યા, “તમારું, તમારા કુટુંબનું અને તમારા સર્વસ્વનું કલ્યાણ હો. મેં સાંભળ્યું છે કે તમે તમારાં ઘેટાં પરથી ઊન ઉતારો છો. તમારા ઘેટાંપાળકો અમારી સાથે છે અને અમે તેમને કંઇ નુક્સાન કર્યું નથી. તમારા ઘેટાંપાળકો ર્કામેલમાં હતા તે દરમ્યાન તેમનું કંઈ ચોરાયું નથી. તેમને પૂછી જુઓ, એટલે તેઓ તમને તે કહેશે. અમે અહીં ઉત્સવ માટે આવ્યા છીએ. આ જુવાનો પ્રત્યે મમતા દાખવજો. તમારા સેવકોને અને દાવિદ, તમારા પુત્ર સમાન દાવિદને બની શકે તે કૃપા કરીને આપો.” દાવિદના માણસોએ દાવિદને નામે નાબાલને એ સંદેશો કહ્યો. પછી તેઓ ત્યાં રાહ જોઈ ઊભા રહ્યા. છેવટે, નાબાલે જવાબ આપ્યો, “દાવિદ કોણ? એ યિશાઈનો પુત્ર વળી કોણ છે? એના વિષે કદી સાંભળ્યું નથી. અત્યારે તો દેશમાં પોતાના માલિકથી નાસતા ફરતા ગુલામો ઘણા છે. મારાં રોટલી અને પાણી અને મારાં ઘેટાંનું ઊન ઉતારનારાઓ માટે કાપેલાં પ્રાણીઓ લઈને હું અજાણ્યા માણસોને આપવાનો નથી.” દાવિદના માણસોએ પાછા જઇને નાબાલે કહેલી બધી વાત તેને જણાવી. તેણે કહ્યું, “તમારી તલવારો કમરે બાંધો.” એટલે તેઓ સૌએ પોતાની તલવારો બાંધી લીધી. દાવિદે પોતે પણ પોતાની તલવાર બાંધી લીધી અને પોતાના ચારસો માણસો સાથે ઉપડયો; જ્યારે બસો માણસો પુરવઠા પાછળ સાથે રહ્યા. નાબાલના એક નોકરે નાબાલની પત્ની અબિગાઈલને કહ્યું, “તમે સાંભળ્યું છે કે દાવિદે વેરાનપ્રદેશમાંથી કેટલાક સંદેશકો મોકલીને આપણા શેઠને શુભેચ્છા પાઠવી હતી, પણ તેમણે તો ગુસ્સે થઈને તેમનું અપમાન કર્યું? પણ તે તો આપણા પ્રત્યે ખૂબ ભલા હતા. તેમણે આપણને કંઈ મુશ્કેલી ઊભી કરી નથી અને અમે તેમની સાથે ચરાણોમાં હતા તે બધો સમય આપણું કંઈ પણ ચોરાયું નથી. અમે આપણા ઘેટાંની સંભાળ રાખતા તે બધો સમય તેમણે અમારા બધાનું રક્ષણ કર્યું. હવે વિચાર કરીને શું કરવું તેનો નિર્ણય કરો; નહિ તો આપણા શેઠની અને તેના આખા કુટુંબની ખાનાખરાબી થઈ જશે. તે એવા ખરાબ સ્વભાવના છે કે કોઈનું સાંભળતા નથી.” અબિગાઈલે તરત જ બસો રોટલી, બે મશકો ભરીને દ્રાક્ષાસવ, રાંધેલાં પાંચ ઘેટાં, સત્તર કિલો પોંક, સૂકી દ્રાક્ષાની સો લૂમો અને સૂકાં અંજીરનાં બસો ચક્તાં લઈને ગધેડાં પર મૂક્યાં. પછી તેણે નોકરોને કહ્યું, “તમે મારી આગળ જાઓ અને હું તમારી પાછળ આવું છું.” પણ તેણે પોતાના પતિ નાબાલને કંઈ કહ્યું નહિ. પર્વતની બાજુએ એક વળાંક આગળ થઈને તે પોતાના ગધેડા પર બેસીને જતી હતી ત્યારે તેને અચાનક દાવિદ અને તેના માણસોનો સામેથી ભેટો થઈ ગયો. દાવિદ વિચારતો હતો, “મેં એ માણસની મિલક્તનું આ વેરાનપ્રદેશમાં શા માટે રક્ષણ કર્યું? તેનું કંઈ ચોરાયું નહોતું અને મેં કરેલી મદદનો તે મને આવો બદલો આપે છે? સવાર થતાં સુધીમાં તેના આબાલવદ્ધ એકેએક પુરુષોનો સંહાર ન કરું તો ઈશ્વર મારી એથીય બૂરી દશા કરો.” દાવિદને જોઈને અબિગાઇલ તરત જ ગધેડા પરથી ઊતરી પડી અને ભૂમિ પર નમીને દાવિદને પગે પડતાં તેને કહ્યું, “મહોદય, કૃપા કરીને મારું કહેવું ધ્યનથી સાંભળો. જે બન્યું છે એનો દોષ મારે માથે આવો, પણ એ નકામા નાબાલ (અર્થાત્ મૂર્ખ) તરફ ધ્યાન ન આપશો. *** તે તેના નામ પ્રમાણે મૂર્ખ જ છે. મહોદય, તમે મોકલેલા તમારા જુવાન સેવકો મને મળ્યા નહોતા. તમારું વેર વાળવાથી અને તમારા દુશ્મનોને મારી નાખવાથી પ્રભુએ જ તમને પાછા રાખ્યા છે. પ્રભુના તથા આપના જીવના સોગન લઉં છું કે તમારા શત્રુઓ અને તમને નુક્સાન પહોંચાડવા ઇચ્છતા સૌને નાબાલની માફક શિક્ષા થશે. તેથી કૃપા કરીને તમારી આ સેવિકાની ભેટ સ્વીકારો અને તમારી સેવા કરનારા જુવાનોને આપો. મારો કંઈ અપરાધ હોય તો મને ક્ષમા કરો. પ્રભુ તમારા રાજવંશને કાયમને માટે સ્થાપિત કરશે. કારણ, તમે તેમની લડાઈઓ લડો છો અને તમે જીવનપર્યંત કંઈ ખોટું કરશો નહિ. જો કોઈ તમારા પર હુમલો કરીને તમને મારી નાખવાનો પ્રયાસ કરે, તો પ્રભુ તમારા જીવને ખજાનાની જેમ સાચવશે. પણ તમારા શત્રુના જીવને તો તે ગોફણમાંથી ફેંક્તા પથ્થરની જેમ ફેંકી દેશે. પ્રભુ તમને આપેલાં સર્વ સારાં વચન પૂરાં કરો અને તમને ઇઝરાયલના રાજા બનાવો. ત્યારે તમારે કોઈને વિના કારણ મારવા વિષે અથવા તમારું વેર લેવા માટે દુ:ખી થવાનું કે પસ્તાવો કરવાનો રહેશે નહિ. મહોદય, પ્રભુ તમારું ભલું કરે ત્યારે મને તમારી સેવિકાને ભૂલશો નહિ.” દાવિદે અબિગાઈલને કહ્યું, “આજે મને મળવા માટે તને મોકલનાર ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ હો. ધન્ય છે તને અને તારી સૂઝસમજને કે ખૂનના ગુનાથી અને વેર વાળવાથી તેં મને પાછો રાખ્યો છે. તમને નુક્સાન કરતાં પ્રભુએ મને રોક્યો અને જો તું ઉતાવળ કરીને મળવા આવી ન હોત તો ઇઝરાયલના ઈશ્વરના જીવના સમ કે સવાર સુધીમાં મેં નાબાલના આબાલવૃદ્ધ બધા પુરુષોને માર્યા હોત.” પછી દાવિદે તેની ભેટનો સ્વીકાર કર્યો અને તેને કહ્યું, “ઘેર પાછી જા અને ચિંતા ન કરીશ. મેં તારી વિનંતી સાંભળી છે અને હું તે માન્ય રાખું છું.” અબિગાઇલ નાબાલ પાસે પાછી ગઈ તો તે ઘેર રાજદ્વારી મિજબાની માણતો હતો. તે પીધેલો અને મસ્ત હતો. એટલે બીજા દિવસની સવાર સુધી તેણે તેને કંઈ કહ્યું નહિ. નશો ઊતર્યા પછી અબિગાઇલે નાબાલને બધું કહ્યું. તેને દયનો આઘાત લાગ્યો અને તેનું શરીર જકડાઈને પથ્થરવત્ થઈ ગયું. લગભગ દસ દિવસ પછી પ્રભુએ નાબાલને આઘાત આપ્યો એટલે તે મરી ગયો. નાબાલ મરી ગયો એવું સાંભળીને દાવિદે કહ્યું, “પ્રભુની સ્તુતિ થાઓ. મારું અપમાન કરવા બદલ તેમણે નાબાલ પર વેર લીધું છે. અને મને, તેમના સેવકને ભૂંડું કરતાં રોક્યો છે. પ્રભુએ નાબાલને તેની ભૂંડાઈની શિક્ષા કરી છે.” પછી દાવિદે અબિગાઈલ સાથે લગ્ન કરવાનું કહેણ મોકલ્યું. તેના સેવકોએ અબિગાઈલ પાસે ર્કામેલમાં જઈને કહ્યું, “દાવિદે તમને તેમની પત્ની તરીકે લઈ જવા અમને મોકલ્યા છે.” અબિગાઈલે ભૂમિ સુધી નમીને કહ્યું, “હું તેમની સેવિકા છું અને તેમના સેવકોના પગ ધોવા તૈયાર છું.” તે તરત જ ઊઠીને પોતાના ગધેડા પર સવાર થઈ. પોતાની પાંચ દાસીઓ લઈને તે દાવિદના સેવકો સાથે ગઈ અને તેની પત્ની બની. દાવિદે યિઝએલની અહિનોઆમ સાથે લગ્ન કર્યું હતું અને હવે અબિગાઈલ પણ તેની પત્ની બની. દરમ્યાનમાં, શાઉલે પોતાની પુત્રી મીખાલ, જે દાવિદની પત્ની હતી તેને ગાલ્લીમ નગરમાંના લાઇશના પુત્ર પાલ્ટી સાથે પરણાવી દીધી હતી. ઝીફથી કેટલાક માણસોએ ગિબ્યામાં શાઉલ પાસે આવીને તેને કહ્યું કે દાવિદ યહૂદિયાના વેરાનપ્રદેશના છેડે હખીલા પર્વત પર સંતાયો છે. એ સાંભળીને શાઉલ તરત જ ઇઝરાયલમાંથી ત્રણ હજાર ચુનંદા યોદ્ધાઓ લઈને દાવિદને શોધવા ઝીફના વેરાનપ્રદેશમાં ગયો. હખીલા પર્વત પર રસ્તાની બાજુએ શાઉલે છાવણી નાખી. દાવિદ હજુ એ વેરાન પ્રદેશમાં જ હતો. શાઉલ પોતાને શોધવા આવ્યો છે એવું જાણતાં દાવિદે જાસૂસો મોકલીને ચોક્સાઈ કરી લીધી કે શાઉલ ત્યાં જ છે. પછી તે તરત જ શાઉલની છાવણીમાં ગયો અને શાઉલ તથા તેના લશ્કરનો સેનાપતિ નેરનો પુત્ર આબ્નેર ક્યાં સૂતા છે તે જગ્યા શોધી કાઢી. શાઉલ છાવણીમાં સૂઈ ગયો અને માણસોએ તેની આજુબાજુ પડાવ નાખ્યો હતો. પછી દાવિદે હિત્તી અહિમેલેખ અને સરુયાના પુત્ર, યોઆબના ભાઈ અબિશાયને કહ્યું, “શાઉલની છાવણીમાં જવા તમારામાંનો કોણ મારી સાથે આવશે?” અબિશાયે કહ્યું, “હું આવીશ.” તે રાત્રે દાવિદ અને અબિશાયે શાઉલની છાવણીમાં પ્રવેશ કર્યો અને જોયું તો છાવણીમાં સૈનિકોના ઘેરા મધ્યે શાઉલ ઊંઘતો હતો અને તેનો ભાલો તેના માથા નજીક જમીન પર ખોસેલો હતો. આબ્નેર તથા લશ્કરના સૈનિકો તેની આસપાસ ઊંઘતા હતા. અબિશાયે દાવિદને કહ્યું, “ઈશ્વર તમારા શત્રુને આજે રાત્રે તમારા હાથમાં સોંપી દીધો છે. હવે મને ભાલાના એક જ ઘાથી તેને જમીનમાં જડી દેવા દો. મારે બીજો ઘા કરવો નહિ પડે.” પણ દાવિદે કહ્યું, “એને કંઈ ઈજા પહોંચાડતો નહિ. પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજાને ઈજા પહોંચાડનાર સજા પામ્યા વિના રહેશે નહિ.” વળી, દાવિદે કહ્યું, “પ્રભુના જીવના સમ, હું જાણું છું કે પ્રભુ પોતે શાઉલને મારશે; પછી તે કુદરતી મોતે મરે કે યુદ્ધમાં ઘવાઈને માર્યો જાય. પ્રભુએ જેનો રાજા તરીકે અભિષેક કર્યો છે એને હું કંઈ હાનિ પહોંચાડું એવું પ્રભુ ન થવા દો. ચાલ, શાઉલના માથા પાસેથી તેનો ભાલો અને તેનો પાણીનો ચંબૂ લઈ લે, એટલે આપણે અહીંથી જતા રહીએ. એમ દાવિદે શાઉલના માથા પાસેથી ભાલો અને પાણીનો ચંબૂ લઇ લીધાં અને પછી તે તથા અબિશાય ત્યાંથી જતા રહ્યા. એ ન તો કોઈએ જોયું કે ન તો કોઈને ખબર પડી. કોઈ જાગ્યા પણ નહિ, તેઓ ભરઊંઘમાં હતા. કારણ, પ્રભુએ તેમને સૌને ભર ઊંઘમાં નાખ્યા હતા. પછી દાવિદ ખીણ ઓળંગીને સામેની બાજુએ ટેકરીના શિખર પર પહોંચી ગયો; તેમની વચ્ચે ઘણું અંતર હતું. તેણે શાઉલના લશ્કરને અને નેરના પુત્ર આબ્નેરને હાંક મારી, “આબ્નેર, તું સાંભળે છે? તો ઉત્તર આપ!” આબ્નેરે પૂછયું, “રાજાને હાંક મારનાર એ કોણ છે?” દાવિદે આબ્નેરને કહ્યું, “તું તો મરદ છે ને? ઇઝરાયલમાં તારો કોઈ સમોવડિયો છે? તો પછી તું તારા માલિક રાજાનું રક્ષણ કેમ કરતો નથી? કારણ, તારા માલિક રાજાને મારવા હમણાં જ કોઈ છાવણીમાં પ્રવેશ્યું હતું. આબ્નેર, તું તારી ફરજ ચૂક્યો છે. જેનો પ્રભુએ રાજા તરીકે અભિષેક કર્યો છે એ તમારા માલિકનું તમે ચોક્સાઈપૂર્વક રક્ષણ કર્યું નથી. તેથી હું પ્રભુના જીવના સમ ખાઉં છું કે તમે મૃત્યુદંડને પાત્ર છો. હવે શોધો તો ખરા કે રાજાનો ભાલો ક્યાં છે? તેના માથા પાસે પડેલો પાણીનો ચંબૂ ક્યાં છે?” શાઉલે દાવિદનો અવાજ ઓળખ્યો અને પૂછયું, “મારા પુત્ર દાવિદ, એ તું બોલે છે?” દાવિદે જવાબ આપ્યો, “જી રાજા, મારા માલિક, એ હું બોલું છું.” તેણે વિશેષમાં કહ્યું, “મારા માલિક, તમે મારી એટલે, તમારા સેવકની પાછળ કેમ પડયા છો? મેં શું કર્યું છે? મેં શો ગુન્હો કર્યો છે? તેથી હે રાજા, મારા માલિક, તમારા સેવકનું સાંભળો. પ્રભુએ તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય તો પ્રભુને એકાદ અર્પણ ચઢાવીને તેમને પ્રસન્‍ન કરું. પણ જો તે માણસનું કામ હોય તો તેઓ પ્રભુથી શાપિત થાઓ. કારણ, તેમણે ‘જા, અન્ય દેવોની સેવા કર’ એવું કહીને આજે મને કાઢી મૂક્યો છે. જેથી પ્રભુના વતનમાં મારો કોઈ લાગભાગ રહે નહિ. તો હવે પ્રભુની ઉપસ્થિતિથી દૂર એટલે વિધર્મીઓના દેશમાં મારું ખૂન ન થાઓ. કારણ, પર્વતોમાં તેતર જેવાં પક્ષીઓનો શિકાર કરનારની માફક ઇઝરાયલનો રાજા મારા જેવા એક ચાંચડને પકડવા માગે છે.” શાઉલે જવાબ આપ્યો, “મેં ખોટું કર્યું છે. મારા પુત્ર દાવિદ, પાછો આવ. હું તને ફરી કદી ઇજા નહિ પહોંચાડું. કારણ, તેં આજે રાત્રે મારો જીવ મૂલ્યવાન ગણ્યો છે. હું તો મૂર્ખાઈ કરીને ભારે ભૂલ કરી રહ્યો છું.” દાવિદે જવાબ આપ્યો, “રાજા, આ રહ્યો તમારો ભાલો. તમારા કોઈ માણસને મોકલીને મંગાવી લો. પ્રભુ પ્રામાણિક્તા અને વફાદારીનો બદલો આપે છે.આજે પ્રભુએ તમને મારા હાથમાં સોંપી દીધા. પણ પ્રભુના અભિષિક્ત રાજા તરીકે મેં તમારા પર ઘા કરવાનું યોગ્ય માન્યું નથી. તેથી જેમ મેં આજે તમારો જીવ મૂલ્યવાન ગણ્યો છે, તેમ જ પ્રભુ પણ મારો જીવ મૂલ્યવાન ગણો અને મને સર્વ સંકટોમાંથી ઉગારો.” શાઉલે કહ્યું, “મારા પુત્ર, ઈશ્વર તને આશિષ આપો. તું બધી બાબતોમાં સફળ થાઓ.” એમ દાવિદ પોતાને રસ્તે પડયો અને શાઉલ ઘેર પાછો ગયો. દાવિદે પોતાના મનમાં કહ્યું, “શાઉલ, મને કોઈક દિવસ મારી નાખશે. તેથી હું નાસી છૂટીને પલિસ્તીયામાં જતો રહું એ જ ઉત્તમ છે. પછી શાઉલ હતાશ થઈને મને ઇઝરાયલમાં શોધવાનું પડતું મૂકશે અને હું સલામત રહીશ.” તેથી દાવિદ અને તેના છસો માણસો તરત જ માઓખના પુત્ર આખીશ, એટલે ગાથના રાજા પાસે જઈ પહોંચ્યા. દાવિદ અને તેના માણસો તેમનાં કુટુંબો સહિત આખીશના આશ્રયે ગાથમાં વસ્યા. દાવિદની સાથે તેની બંને પત્નીઓ એટલે કે યિઝએલની અહિનોઆમ અને નાબાલ ર્કામેલીની વિધવા અબિગાઈલ હતી. દાવિદ ગાથ નાસી ગયો છે એવી ખબર પડતાં શાઉલે તેને શોધવાનું પડતું મૂકાયું. દાવિદે આખીશને કહ્યું, “આપને મારા પ્રત્યે સદ્ભાવ હોય તો મને રહેવા એક નાના નગરમાં જગ્યા આપો. મારા માલિક, મારે તમારી સાથે પાટનગરમાં રહેવાની કોઈ જરૂર નથી.” તેથી આખીશે તેને સિકલાગ નગર આપ્યું. સિકલાગ ત્યારથી યહૂદિયાના રાજાઓના હાથમાં રહ્યું છે. દાવિદ એક વર્ષ અને ચાર મહિના પલિસ્તીઓના પ્રદેશમાં રહ્યો. એ પ્રદેશમાં લાંબા સમયથી રહેતા ગશૂર, ગિર્ઝી અને અમાલેકના લોકો પર દાવિદ અને તેના માણસો હુમલો કરતા. પ્રાચીન સમયથી એ લોકો એ પ્રદેશમાં ઇજિપ્ત જવાના રસ્તે છેક શૂર સુધી વસતા હતા. દાવિદ કોઈ પ્રદેશ પર હુમલો કરતો ત્યારે તે પુરુષો અને સ્ત્રીઓને મારી નાખતો અને ઘેટાં, બળદ, ગધેડાં, ઊંટ અને વસ્ત્ર સુદ્ધાં લઇ લેતો. પછી તે આખીશ પાસે જતો. આખીશ તેને પૂછતો, “આ વખતે તેં ક્યાં હુમલો કર્યો હતો?” દાવિદ તેને કહેતો કે તે યહૂદિયાના દક્ષિણ ભાગમાં અથવા યરાહમએલી કુળના વતનમાં અથવા કેનીઓના પ્રદેશમાં ગયો હતો. દાવિદ સર્વ સ્ત્રી પુરુષોને મારી નાખતો, જેથી કોઇ ગાથ જઇને તેના અને તેના માણસોના કાર્ય વિષે ખબર આપે નહિ. દાવિદ પલિસ્તીયામાં રહ્યો એ બધો સમય તે એવું જ કરતો રહ્યો. આખીશને દાવિદ પર વિશ્વાસ હતો, કેમકે તે મનમાં કહેતો, “તેના પોતાના ઇઝરાયલી લોકો તેનો એવો તિરસ્કાર કરે છે કે તે જીવનપર્યંત મારી સેવા કરશે.” કેટલાક સમય બાદ પલિસ્તીઓનાં સૈન્ય ઇઝરાયલ સામે લડવાને એકત્ર થયાં અને આખીશે દાવિદને કહ્યું, “અલબત્ત, તું સમજે તો છે કે તારે અને તારા માણસોએ અમારે પક્ષે રહીને લડવાનું છે.” દાવિદે આખીશને કહ્યું, “જરૂર, હું તો તમારો સેવક છું અને હું શું કરી શકું છું તેની પણ તમને ખબર પડશે.” આખીશે કહ્યું, “ભલે, હું તને મારો કાયમી અંગરક્ષક બનાવીશ.” હવે શમુએલ તો મરી ગયો હતો અને સર્વ ઇઝરાયલીઓએ તેને માટે શોક કર્યો હતો અને તેને તેના વતન રામામાં દફનાવ્યો હતો. શાઉલે ઇઝરાયલ દેશમાંથી સર્વ જાદુગરો અને મૃતાત્માનો સંપર્ક સાધનારાઓને તડીપાર કર્યા હતા. પલિસ્તીઓનાં સૈન્યોએ એકઠાં થઈને શૂનેમ નગરમાં છાવણી કરી. શાઉલે ઇઝરાયલીઓને એકઠા કરીને ગિલ્બોઆ પર્વત પર છાવણી કરી. પલિસ્તીઓનાં સૈન્ય જોઈને શાઉલનું હૈયું ભયથી કાંપવા લાગ્યું. તેથી શું કરવું તે અંગે તેણે પ્રભુને પૂછી જોયું. પણ પ્રભુએ તેને સ્વપ્નથી કે ઉરીમથી કે સંદેશવાહકો મારફતે કંઈ જવાબ આપ્યો નહિ. પછી શાઉલે તેના અમલદારોને હુકમ કર્યો, “પ્રેતાત્માનો સંપર્ક સાધી શકે એવી કોઈ સ્ત્રી મને શોધી આપો કે જેથી હું તેને જઇને પૂછી શકું.” તેમણે જવાબ આપ્યો, “એવી એક સ્ત્રી એનદોરમાં છે.” તેથી શાઉલે વેશપલટો કર્યો. જુદા પ્રકારનાં વસ્ત્રો પહેર્યાં અને પોતાના બે માણસો સાથે પેલી સ્ત્રીને રાત્રે છૂપી રીતે મળવા ગયો. શાઉલે તેને કહ્યું, “મૃતાત્માનો સંપર્ક સાધીને મને ભવિષ્ય જણાવ. હું તને કહું તે માણસના આત્માને બોલાવ.” સ્ત્રીએ જવાબ આપ્યો, “શાઉલ રાજાએ શું કર્યું છે તે તો તમે જરૂર જાણો છો. એટલે કે, તેમણે ઇઝરાયલ દેશમાંથી જાદુગરો અને મૃતાત્માઓનો સંપર્ક સાધનારાઓને હાંકી કાઢયા છે. તેથી તમે મને ફસાવીને કેમ મારી નાખવા માગો છો?” પછી શાઉલે પ્રભુને નામે સોગંદ લીધા અને તેને કહ્યું, “પ્રભુના જીવના સમ, હું વચન આપું છું કે એ કાર્યને લીધે તને કંઇ શિક્ષા નહિ થાય.” સ્ત્રીએ પૂછયું, “હું તમારે માટે કોને બોલાવું?” તેણે જવાબ આપ્યો, “શમુએલને.” શમુએલને જોઈને સ્ત્રીએ ચીસ પાડી. તેણે શાઉલને કહ્યું, “તમે મને કેમ છેતરી? તમે તો શાઉલ રાજા છો.” રાજાએ તેને કહ્યું, “ગભરાઈશ નહિ, તું શું જુએ છે?” તેણે કહ્યું, “હું એક આત્માને પૃથ્વીમાંથી ઉપર આવતો જોઉં છું.” તેણે પૂછયું, “તેનો દેખાવ કોના જેવો છે? તેણે જવાબ આપ્યો, “એક વૃદ્ધ માણસ ઉપર આવી રહ્યો છે. તેણે ઝભ્ભો પહેરેલો છે.” પછી શાઉલને ખબર પડી કે તે શમુએલ છે અને તેણે ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યા. શમુએલે શાઉલને કહ્યું, “તેં શા માટે મને અહીં બોલાવીને પરેશાન કર્યો છે? તેં શા માટે મને પાછો બોલાવ્યો છે?” શાઉલે જવાબ આપ્યો, “હું મોટી મુશ્કેલીમાં આવી પડયો છું. પલિસ્તીઓ મારી સામે લડવાને તૈયાર થયા છે અને ઈશ્વરે મને તજી દીધો છે. સ્વપ્નો કે સંદેશવાહકો મારફતે હવે તે મને જવાબ આપતા નથી. તેથી મારે શું કરવું તે પૂછવા મેં તમને બોલાવ્યા છે.” શમુએલે કહ્યું, “જ્યારે પ્રભુએ જ તારો ત્યાગ કર્યો છે અને તે તારા શત્રુ થઈ ગયા છે, તો પછી તેં મને શા માટે બોલાવ્યો? પ્રભુએ મારી મારફતે આપેલ સંદેશ પૂર્ણ કર્યો છે: તેમણે તારી પાસેથી રાજ્ય ખૂંચવી લઈને તેને બદલે તે દાવિદને આપ્યું છે. પ્રભુની આજ્ઞાને તું આધીન થયો નહિ અને અમાલેકીઓ અને તેમના સર્વસ્વનો સંપૂર્ણપણે નાશ કર્યો નહિ તેથી જ પ્રભુએ તને આ શિક્ષા કરી છે. તે તને અને ઇઝરાયલીઓને પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે. આવતી કાલે તું અને તારા પુત્રો મારી સાથે હશો અને પ્રભુ ઇઝરાયલના સૈન્યને પલિસ્તીઓના હાથમાં સોંપી દેશે.” શમુએલે કહેલી વાતથી ગભરાઈ જઈને શાઉલ આખો દિવસ અને આખી રાત જમીન પર ચત્તોપાટ પડી રહ્યો. તેણે કંઈ ખાધું નહિ હોવાથી તે નિર્બળ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ શાઉલ પાસે જઈને જોયું તો તે ગભરાઇ ગયો હતો. તેથી તેણે તેને કહ્યું, “સાહેબ, તમારી વાત મેં મારા જીવના જોખમે માની છે. તો હવે તમે પણ તમારી આ દાસીની વાત માનો. તમને પીરસવા માટે મને થોડો ખોરાક રાંધવા દો; જેથી એ ખાઈને તમને મુસાફરી કરવા માટે જરૂરી બળ મળે.” શાઉલે નકાર કરતાં કહ્યું કે, “મારે કંઈ ખાવું નથી.” પણ તે સ્ત્રીએ અને શાઉલના અમલદારોએ તેને ખોરાક લેવાને આજીજી કરી. છેવટે, શાઉલ તેમના આગ્રહને વશ થઈને જમીન પરથી ઊઠીને પલંગ પર બેઠો. પેલી સ્ત્રીએ પોતાનો હૃષ્ટપુષ્ટ વાછરડો કાપ્યો. પછી તેણે લોટ લઇને બાંધ્યો અને ખમીર વગરની રોટલીઓ શેકી. તેણે તે ખોરાક શાઉલ અને તેના અમલદારો આગળ પીરસ્યો અને તેઓ જમ્યા. પછી તે જ રાત્રે તેઓ ત્યાંથી વિદાય થયા. પલિસ્તીઓએ તેમનાં સર્વ લશ્કરી દળો અફેકમાં એકઠાં કર્યાં, જ્યારે ઇઝરાયલીઓએ યિભએલની ખીણમાં ઝરા પાસે છાવણી કરી. પલિસ્તીઓના પાંચ રાજવીઓ તેમની સો સો અને હજાર હજાર માણસોની લશ્કરી ટુકડીઓ લઈને નીકળી આવ્યા. દાવિદ અને તેના માણસો આખીશની સાથે સૈન્યમાં પાછળના ભાગમાં હતા. પલિસ્તીઓના રાજવીઓએ પૂછયું, “આ હિબ્રૂઓ અહીં શું કરે છે?” આખીશે જવાબ આપ્યો, “આ તો ઇઝરાયલના રાજા શાઉલનો સેવક દાવિદ છે. તે એકાદ વર્ષથી મારી સાથે છે. તે મારી પાસે આવ્યો ત્યારથી મને તેનો ગુનો દેખાય એવું તેણે કંઈ કર્યું નથી.” પણ પલિસ્તીઓના રાજવીઓ આખીશ પર ગુસ્સે થઈ ગયા અને તેમણે તેને કહ્યું, “એ માણસને તેના નગરમાં પાછો મોકલ. તેને આપણી સાથે યુદ્ધમાં આવવા ન દે. કારણ, તે લડાઇ સમયે આપણી વિરુદ્ધનો થઈ જશે. પોતાના માલિકનો પ્રેમ સંપાદન કરવા આપણા માણસોને મારી નાખવા સિવાય તેની પાસે બીજો કયો સારો માર્ગ હોય? છેવટે આ તો એ દાવિદ છે કે જેના વિષે સ્ત્રીઓએ નાચતાં નાચતાં ગાયું હતું કે, ‘શાઉલે માર્યા હજાર, દાવિદે માર્યા દસ હજાર.” આખીશે દાવિદને બોલાવીને કહ્યું, “પ્રભુના જીવના સમ, તું મને વફાદાર રહ્યો છે અને તું મારી સાથે આવીને યુદ્ધમાં ભાગ લે એ મને ગમ્યું હોત. તું મારી પાસે આવ્યો તે દિવસથી અત્યાર સુધી મને તારામાં કંઈ દોષ માલૂમ પડયો નથી. પણ બીજા રાજવીઓ તને સ્વીકારવા તૈયાર નથી. તેથી તું કૃપા કરીને ઘેર જા અને તેમને ખોટું લાગે તેવું કંઈ કરીશ નહિ.” દાવિદે જવાબ આપ્યો, “મેં શું ખોટું કર્યું છે? રાજન, મેં તમારી સેવા કરવાની શરૂઆત કરી ત્યારથી તમને મારામાં કંઈ દોષ માલૂમ પડયો નથી. તેથી હે રાજા, મારા માલિક, મારે શા માટે તમારી સાથે આવીને તમારા શત્રુઓ સાથે ન લડવું?” આખીશે જવાબ આપ્યો, “હું તને ઈશ્વરના દૂત જેટલો જ વફાદાર ગણું છું. પણ તું અમારી સાથે લડાઈમાં ન આવી શકે એવું પલિસ્તીઓના રાજવીઓનું કહેવું છે. તેથી હે દાવિદ, શાઉલને છોડીને મારી પાસે આવેલા તમે સૌ આવતી કાલે વહેલા ઊઠીને સવાર થતાં જ જલદી જતા રહેજો.” તેથી બીજે દિવસે વહેલી સવારે દાવિદ અને તેના માણસો પલિસ્તીયા પાછા જવાને ઉપડયા અને પલિસ્તીઓ યિઝએલ તરફ ગયા. બે દિવસ પછી દાવિદ અને તેના માણસો સિકલાગમાં પાછા આવ્યા. દરમ્યાનમાં અમાલેકીઓએ દક્ષિણ યહૂદિયા અને સિકલાગ પર હુમલો કર્યો હતો. તેમણે સિકલાગને સર કરીને તેને બાળી નાખ્યું હતું. તેમણે ત્યાં બધી સ્ત્રીઓને અને તેમની સાથે નાનાંમોટાં સૌને પકડયાં હતાં. તેમણે કોઈને મારી નાખ્યાં નહોતાં, પણ તે સર્વને પોતાની સાથે કેદ કરીને લઈ ગયા. દાવિદ અને તેના માણસોએ આવીને જોયું તો નગર બાળી નાખવામાં આવ્યું હતું અને તેમની પત્નીઓ, પુત્રો અને પુત્રીઓને લઈ જવામાં આવ્યાં હતાં. દાવિદ અને તેના માણસો રડવા લાગ્યા અને રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ રડયા. દાવિદની બે પત્નીઓ, એટલે કે યિભએલી અહિનોઆમ અને ર્કામેલી નાબાલની વિધવા અબિગાઈલને પણ તેઓ પકડી ગયા હતા. દાવિદ મોટી મુશ્કેલીમાં આવી પડયો હતો, કારણ, તેના સર્વ માણસો પોતાનાં બાળકો ગુમાવવાને લીધે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે તેને પથ્થરે મારવાની ધમકી આપી. પણ દાવિદે તેના ઈશ્વર પ્રભુ પાસેથી હિંમત પ્રાપ્ત કરી. દાવિદે અહિમેલેખના પુત્ર અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “પવિત્ર એફોદ મારી પાસે લાવ” અને અબ્યાથાર તે તેની પાસે લઈ આવ્યો. દાવિદે પ્રભુને પૂછયું, “શું હું એ હુમલાખોરોનો પીછો કરું? શું હું તેમને પકડી પાડી શકીશ?” પ્રભુએ જવાબ આપ્યો, “તેમનો પીછો કર, તું તેમને પકડી પાડી શકીશ અને બધા કેદીઓને છોડાવી શકીશ.” તેથી દાવિદ પોતાના છસો માણસોને લઈને ઉપડયો અને બેસોરના નાળા પાસે આવી પહોંચ્યો. તેમનામાંથી કેટલાક ત્યાં રહ્યા. દાવિદ પોતાના ચારસો માણસો સાથે આગળ વધ્યો. નાળું ઓળંગી ન શકે એટલા થાકી ગયેલા બાકીના બસો જણ પાછળ રહ્યા. દાવિદના માણસોને ગ્રામ્ય પ્રદેશમાં એક ઇજિપ્તી પુરુષ મળ્યો અને તેઓ તેને દાવિદ પાસે લઈ ગયા. તેમણે તેને થોડો ખોરાક, પાણી, સૂકા અંજીર અને સૂકી દ્રાક્ષાની બે લૂમો આપ્યાં. જમ્યા બાદ તેનામાં તેની શક્તિ પાછી આવી. પૂરા ત્રણ દિવસથી તે ભૂખ્યો તરસ્યો હતો. દાવિદે તેને પૂછયું, “તારો માલિક કોણ છે અને તું ક્યાંથી આવ્યો છે?” તેણે જવાબ આપ્યો, “હું ઈજિપ્તી છું અને એક અમાલેકીનો ગુલામ છું. હું બીમાર પડી ગયો હોવાથી મારા માલિકે મને ત્રણ દિવસ અગાઉ પાછળ પડતો મૂક્યો. અમે કેરેથીઓના પ્રદેશ પર, યહૂદિયાના દક્ષિણ ભાગ પર અને કાલેબના ગોત્રના પ્રદેશ પર ચઢાઈ કરી હતી અને અમે સિકલાગ બાળી નાખ્યું.” દાવિદે તેને પૂછયું, “તું મને એ હુમલાખોરો પાસે લઈ જઈશ?” તેણે જવાબ આપ્યો, “મને ઈશ્વરને નામે વચન આપો કે તમે મને મારી નાખશો નહિ અથવા મારા માલિકને પાછો સોંપી નહિ દો, તો હું તમને લઈ જઈશ.” પછી તે દાવિદને અમાલેકીઓ પાસે લઈ ગયો. પલિસ્તીયા અને યહૂદિયામાં મેળવેલી અઢળક લૂંટને કારણે તેઓ ખાતાપીતા અને મઝા માણતા તે જગ્યાએ વિખેરાયેલા હતા. બીજે દિવસે વહેલી સવારે દાવિદે તેમના પર હુમલો કર્યો અને સાંજ સુધી લડયો. ઊંટ પર બેસીને ભાગી ગયેલા ચારસો જુવાન માણસો સિવાય તેમાંનું કોઈ બચ્યું નહિ. અમાલેકીઓ જે લૂંટી ગયા હતા તે બધું દાવિદે પાછું મેળવ્યું અને તે પોતાની બે પત્નીઓને પણ છોડાવી લાવ્યો. નાનું કે મોટું, પુત્રો કે પુત્રીઓ અને સઘળી લૂંટાઈ ગયેલી વસ્તુઓ દાવિદ પાછી લાવ્યો, એમાં કશું ખૂટતું નહોતું. દાવિદ ઘેટાંબકરાંનાં બધાં ટોળાં અને બધાં ઢોરઢાંક પણ પાછા લાવ્યો, એમને હાંકનારા કહેતા હતા કે, “આ દાવિદની લૂંટ છે.” પછી ખૂબ થાકી જવાને લીધે દાવિદ સાથે જઈ ન શકેલા બસો માણસો જેઓ બેસોરના નાળા આગળ રહ્યા હતા તેમની પાસે તે પાછો ગયો. તેઓ દાવિદ અને તેના માણસોને મળવાને આવ્યા અને દાવિદે તેમની પાસે જઈને તેમને શુભેચ્છા પાઠવી. પણ દાવિદની સાથે ગયેલા કેટલાક દુષ્ટ અને નકામા માણસોએ દાવિદને કહ્યું, “તેઓ આપણી સાથે આવ્યા નહોતા, તેથી આપણે તેમને પાછી મેળવેલી લૂંટમાંથી કંઈ નહિ આપીએ. તેઓ તેમની પત્નીઓ અને બાળકો લઈને જતા રહે.” પણ દાવિદે કહ્યું, “મારા ભાઈઓ, પ્રભુએ આપણને આપેલી લૂંટ વિષે આપણે એવું ન કરી શકીએ. તેમણે આપણને સલામત રાખ્યા અને હુમલાખોરો પર આપણને વિજય આપ્યો. તમારી વાત સાથે કોઈથી સહમત થઈ શકાય તેમ નથી. સર્વ સરખે ભાગે હિસ્સો મળવો જોઈએ. પુરવઠાની સાથે પાછળ રહેનારને પણ લડાઈમાં જનાર જેટલો જ હિસ્સો મળવો જોઈએ. દાવિદે એ નિર્ણય નિયમ તરીકે કર્યો અને ત્યારથી ઇઝરાયલમાં એ નિયમ પળાતો આવ્યો છે. દાવિદ સિકલાગ પાછો આવ્યો ત્યારે લૂંટનો કેટલોક ભાગ યહૂદિયાના આગેવાન મિત્રો પર આ સંદેશા સાથે મોકલ્યો, “પ્રભુના શત્રુઓ પાસેથી મેળવેલી લૂંટમાંથી તમને આ ભેટ મોકલું છું.” તેણે આવી ભેટ નીચેનાં નગરોના રહેવાસીઓને મોકલી: બેથેલ, યહૂદિયાના દક્ષિણ ભાગમાં આવેલા રામા, યાતિર, અરોએર, સિફમોથ, એશ્તમોઆ, રાખાલ. વળી, યરાહમએલી તથા કેનીઓના કુળનાં નગરોમાં તેમ જ હોર્મા, બોર-આશાન, આથાખ *** *** અને હેબ્રોન એ સર્વ જગ્યાઓમાં જેમને ત્યાં દાવિદ અને તેના માણસોએ આશરો લીધો હતો તે બધા માણસોને ભેટ મોકલી આપી. પલિસ્તીઓએ ઈઝરાયલી સાથે ગિલ્બોઆ પર્વત પર યુદ્ધ કર્યું. ત્યાં ઘણા ઇઝરાયલીઓ માર્યા ગયા અને બાકીના નાસી ગયા. પલિસ્તીઓએ શાઉલ અને તેના પુત્રોનો પીછો કર્યો અને તેના પુત્રો યોનાથાન, અબિનાદાબ અને માલ્ખીશૂઆને મારી નાખ્યા. શાઉલની આસપાસ ભીષણ સંગ્રામ ખેલાયો. ધનુર્ધારીઓએ તેને પકડી પાડીને ઘેરી લીધો અને તે તેમના બાણથી સખત ઘવાયો. તેથી તેણે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર ખેંચીને મને મારી નાખ. જેથી આ વિધર્મી પલિસ્તીઓ મારું અપમાન ન કરે અને મને મારી નાખે નહિ.” પણ શસ્ત્રવાહક એમ કરતા ઘણો ગભરાયો. તેથી શાઉલ પોતાની તલવાર લઈને તેની પર પડયો. શાઉલ મરી ગયો છે એવું જોઈને તે શસ્ત્રવાહક પણ પોતાની તલવાર પર પડીને શાઉલ સાથે મરી ગયો. અને એમ શાઉલ તેના ત્રણ પુત્રો અને એનો શસ્ત્રવાહક મરી ગયા. શાઉલના સર્વ માણસો તે દિવસે જ મરી ગયા. યિઝએલની ખીણની સામી તરફ અને યર્દન નદીની પૂર્વ તરફ ઊભેલા ઇઝરાયલીઓએ જોયું કે ઇઝરાયલી સૈન્ય નાસી ગયું છે અને શાઉલ તથા તેના પુત્રો મરાયા છે ત્યારે તેઓ પોતાનાં નગરો છોડીને નાસી ગયા. પછી પલિસ્તીઓએ આવીને તે નગરો કબજે કરી લીધાં. લડાઈને બીજે દિવસે પલિસ્તીઓ મૃતદેહ પરથી શસ્ત્રસરંજામ લૂંટી લેવા ગયા તો તેમણે ગિલ્બોઆ પર્વત પર શાઉલ તથા તેના ત્રણ પુત્રોના મૃતદેહ જોયા. તેઓે તેનું માથું કાપી લીધું, તેનું બખ્તર ઉતારી લીધું અને એ લઈને પોતાની મૂર્તિઓના સ્થાનકોએ અને તેમના લોકોને આનંદના આ સમાચાર જણાવ્યા. પછી તેમણે તેમનું બખ્તર લઈને આશ્તારોથ દેવીના મંદિરમાં મૂકાયું અને તેમનાં શબ બેથશાન શહેરના કોટ પર જડી દીધાં. પલિસ્તીઓએ શાઉલના કરેલા હાલ વિષે ગિલ્યાદમાં આવેલા યાબેશના લોકોએ સાંભળ્યું ત્યારે સર્વ શૂરવીર માણસો ઉપડયા અને આખી રાત ચાલીને બેથશાન ગયા. તેમણે કોટ પરથી શાઉલ તથા તેના પુત્રનો મૃતદેહ ઉતારી લઈને તેમને યાબેશ લાવીને ત્યાં બાળી દીધા. પછી તેમણે હાડકાં લઈને યાબેશ નગરમાં પ્રાંસ વૃક્ષની નીચે દાટી દીધાં અને સાત દિવસ સુધી ઉપવાસ કરીને શોક કર્યો. શાઉલના મરણ પછી દાવિદ અમાલેકીઓ પર જીત મેળવીને પાછો આવ્યો અને બે દિવસ સિકલાગમાં રહ્યો. ત્રીજે દિવસે શાઉલની છાવણીમાંથી એક યુવાન નાસી આવ્યો. પોતાનો શોક દર્શાવવાને તેણે પોતાનાં વસ્ત્ર ફાડી નાખ્યાં હતાં અને માથા પર ધૂળ નાખી હતી. તેણે દાવિદ પાસે જઈને તેને ભૂમિ સુધી શિર ટેકવીને નમન કર્યું. દાવિદે તેને પૂછયું, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો, “હું ઇઝરાયલની છાવણીમાંથી નાસી છૂટયો છું.” દાવિદે કહ્યું, “ત્યાં શું થયું તે મને કહે.” તેણે જવાબ આપ્યો, “લોકો યુદ્ધમાંથી નાસી ગયા છે અને ઘણા માણસો માર્યા ગયા છે. શાઉલ અને યોનાથાન મરણ પામ્યા છે.” દાવિદે તેને પૂછયું, “શાઉલ અને યોનાથાન માર્યા ગયા છે એની તને કેવી રીતે ખબર પડી?” તેણે જવાબ આપ્યો, “સંજોગવશાત્, હું ગિલ્બોઆ પર્વત પર હતો. મેં જોયું તો શાઉલ રાજા પોતાના ભાલા પર અઢેલીને ઊભા હતા અને શત્રુના રથો અને ઘોડેસ્વારો તેમને ભીંસમાં લેવા આવી પહોંચ્યા હતા. તેમણે પાછા વળીને નજર કરી અને મને જોઈને બોલાવ્યો. મેં કહ્યું, ‘જી’. તેમણે પૂછયું, ‘તું કોણ છે?’ અને મેં તેમને કહ્યું, ‘હું અમાલેકી છું.’ પછી તેમણે કહ્યું, ‘અહીં મારી પાસે આવીને મને મારી નાખ. હું ખૂબ ગંભીર રીતે ઘવાયો છું અને મરવાની અણી પર છું.’ તેથી તેમની પાસે જઈને મેં તેમને મારી નાખ્યા. કારણ, હું જાણતો હતો કે તે પડીને મરી જશે. પછી મેં તેમના માથા પરથી મુગટ અને હાથ પરથી કડાં ઉતારી લીધાં અને હવે આપની સમક્ષ તે લાવ્યો છું.” દાવિદે શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં. તેના બધા માણસોએ પણ તેમજ કર્યું. શાઉલ તથા યોનાથાન માટે, ઇઝરાયલ માટે અને પ્રભુના લોકો માટે દુ:ખી થઈને તેઓ શોક તથા વિલાપ કરવા લાગ્યા અને સાંજ સુધી ઉપવાસ કર્યો. કારણ, લડાઈમાં ઘણા લોકો માર્યા ગયા હતા. દાવિદે તેની પાસે સંદેશો લાવનાર પેલા યુવાનને પૂછયું, “તું ક્યાંનો છે?” તેણે જવાબ આપ્યો, “હું પરપ્રજાનો અમાલેકી છું, પણ તમારા દેશમાં રહું છું.” દાવિદે તેને પૂછયું, “પ્રભુએ પસંદ કરાયેલ રાજાને મારી નાખવાની તેં હિંમત કેમ કરી?” પછી દાવિદે પોતાના એક માણસને બોલાવીને કહ્યું, “એને મારી નાખ.” તેણે પેલા અમાલેકીને માર્યો કે તે મરી ગયો. દાવિદે અમાલેકીને ઉદ્દેશીને કહ્યું, “તારા મરણની જવાબદારી તારે શિર. પ્રભુને પસંદ કરેલા અભિષિક્ત રાજાને તેં મારી નાખ્યો છે એવી કબૂલાત કરીને તેં પોતાને દોષિત ઠરાવ્યો છે.” દાવિદે શાઉલ અને તેના પુત્ર યોનાથાન માટે મૃત્યુગીત ગાયું. અને યહૂદાના લોકોને એ શીખવવાનો આદેશ આપ્યો. (યાશારના પુસ્તકમાં એ લખેલું છે.) “હે ઇઝરાયલ, તારા પર્વતો પર તારા ગૌરવરૂપ આગેવાનો મૃત્યુ પામ્યા છે, તારા શૂરવીરો મૃત્યુને ભેટયા છે. ગાથમાં તે કહેશો નહિ કે આશ્કલોનની શેરીઓમાં એ જાહેર કરશો નહિ; નહિ તો પલિસ્તીયા દેશની સ્ત્રીઓ આનંદ કરશે અને પરપ્રજાની પુત્રીઓ ખુશ થશે. ગિલ્બોઆના પર્વતો, તમારા પર વરસાદ કે ઝાકળ ન પડો. કારણ, તમારા રક્ષક્ષેત્ર પર લોહી રેડાયું છે. ત્યાં શૂરવીરોની ઢાલો ધૂળમાં રગદોળાઈને ઝાંખી પડી છે, શાઉલની ઢાલ પણ હવે તેલથી ચમક્તી નથી. પુષ્ટ યોદ્ધાઓને વીંધવામાં યોનાથાનનું તીર પાછું પડતું નહિ; દુશ્મનોનું લોહી રેડવાને શાઉલની તરવારનો ઘા ખાલી જતો નહિ.” “શાઉલ અને યોનાથાન પ્રિય અને મનોહર હતા, જીવતા હતા ત્યારે સાથે હતા અને મરતી વખતે પણ સાથે રહ્યા. તેઓ ગરુડ કરતાં વિશેષ વેગવાન અને સિંહ કરતાં બળવાન હતા.” “અરે, ઇઝરાયલની પુત્રીઓ, શાઉલ માટે વિલાપ કરો, તેણે તમને કિંમતી રાજવી વસ્ત્ર પહેરાવ્યાં; તેણે તમને સુવર્ણ અલંકારોથી સોહાવી. શૂરવીરો મૃત્યુને ભેટયા છે. હે યોનાથાન, તારા જ પર્વત પર તારો સંહાર થયો છે. ઓ યોનાથાન, મારા ભાઈ, તારે લીધે મને અત્યંત વેદના થાય છે. તું મને કેટલો પ્રિય હતો. મારા પ્રત્યેનો તારો પ્રેમ કેવો અદ્‍ભુત હતો; સ્ત્રીઓના પ્રેમ કરતાં પણ તે વિશેષ હતો. શૂરવીરો મૃત્યુને ભેટયા છે, તેમનાં શસ્ત્રોનો કેવો વિનાશ થયો છે?” એ પછી દાવિદે પ્રભુને પૂછયું, “હું જઈને યહૂદિયાના કોઈ નગરને જીતવા જઉં?” પ્રભુએ જવાબ આપ્યો, “જા.” દાવિદે પૂછયું, “કયા નગરમાં?” પ્રભુએ કહ્યું, “હેબ્રોનમાં.” દાવિદ પોતાની બે પત્નીઓ એટલે, યિભએલની અહિનોઆમ અને ર્કામેલી નાબાલની વિધવા અબિગાઈલને લઈને હેબ્રોન ગયો. તે પોતાના માણસોને પણ તેમના કુટુંબો સાથે લઈ ગયો અને તેમને હેબ્રોનની આજુબાજુનાં ગામોમાં વસાવ્યાં. પછી યહૂદિયાના માણસો હેબ્રોન આવ્યા અને દાવિદનો યહૂદિયાના રાજા તરીકે અભિષેક કર્યો. ગિલ્યાદમાં આવેલા યાબેશના લોકોએ શાઉલને દફનાવ્યો છે એવી ખબર મળતાં, તેણે કેટલાક સંદેશકો મોકલીને આવો સંદેશો પાઠવ્યો: “તમારા રાજાને દફનાવીને તમે તેના પ્રત્યે દર્શાવેલી વફાદારી માટે પ્રભુ તમને આશિષ આપો. તે હવે તમારા પ્રત્યે માયાળુ અને વિશ્વાસુ થાઓ. તમારા એ કાર્ય માટે હું પણ તમારા પ્રત્યે સદ્ભાવ દાખવીશ. બળવાન તથા શૂરવીર થાઓ. તમારો રાજા શાઉલ મરણ પામ્યો છે અને યહૂદાના કુળે પોતાના રાજા તરીકે મારો અભિષેક કર્યો છે.” શાઉલનો સેનાપતિ, નેરનો પુત્ર આબ્નેર શાઉલના પુત્ર ઇશબોશેથને લઈને યર્દન નદીને પેલે પાર માહનાઈમમાં નાસી ગયો હતો. ત્યાં આબ્નેરે ઇશબોશેથને ગિલ્યાદ, આશેર, યિભયેલ, એફ્રાઈમ અને બિન્યામીનના પ્રદેશો પર એટલે આખા ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. તેને ઇઝરાયલનો રાજા બનાવવામાં આવ્યો ત્યારે તે ચાલીસ વર્ષનો હતો, પણ યહૂદાનું કુળ દાવિદને વફાદાર રહ્યું. તેણે હેબ્રોનમાં રહીને તેમના પર સાડા સાત વર્ષ રાજ કર્યું. આબ્નેર અને શાઉલના પુત્ર ઇશબોશેથના અધિકારીઓ માહનાઈમમાંથી ગિબ્યોન નગરમાં ગયા. યોઆબ, જેની માતાનું નામ સરુયા હતું, તે અને દાવિદના માણસો તળાવ આગળ સામસામે આવી ગયા. ત્યાં તેઓ સૌ બેસી ગયા; એક જૂથ તળાવની એક તરફ અને બીજું જૂથ તળાવની બીજી તરફ. આબ્નેરે યોઆબને કહ્યું, “શસ્ત્રસ્પર્ધામાં લડવા માટે બંને બાજુએથી યુવાનો મોકલીએ.” યોઆબે કહ્યું, “ભલે.” તેથી ઇશબોશેથ અને બિન્યામીનના કુળ તરફથી બાર માણસો દાવિદના બાર માણસો સાથે લડયા. પ્રત્યેક માણસે પોતાના પ્રતિસ્પર્ધીનું માથું પકડયું અને પ્રત્યેક માણસે પોતાના પ્રતિસ્પર્ધીની કૂખમાં પોતાની તલવાર ભોંકી દીધી. તેથી ચોવીસે માણસો એક સાથે પડીને મરી ગયા. તેથી એ જગ્યા ‘હેલ્કાથ-હાસ્સુરીમ’ એટલે ‘તલવારોનું ક્ષેત્ર’ એ નામે ઓળખાય છે. પછી ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું અને દાવિદના માણસોએ આબ્નેર તથા તેના માણસોને હરાવ્યા. સરુયાના ત્રણ દીકરા યોઆબ, અબિશાય અને અસાહેલ ત્યાં હતા. અસાહેલ જંગલી હરણના જેટલી ઝડપથી દોડી શક્તો. તેણે આબ્નેરનો પીછો કર્યો અને આમતેમ ક્યાંય વળ્યા વિના આબ્નેર પાછળ સીધેસીધો દોડયો. આબ્નેરે પાછળ ફરીને જોયું અને પૂછયું, “અસાહેલ, એ શું તું છે?” તેણે કહ્યું, “હા.” આબ્નેરે કહ્યું, “મારો પીછો મૂકી દે. બીજા કોઈ એક સૈનિકની પાછળ પડીને તેની પાસેનાં શસ્ત્રો લૂંટી લે.” પણ અસાહેલે તેનો પીછો ચાલુ રાખ્યો. આબ્નેરે ફરીથી કહ્યું, “મારો પીછો મૂકી દે, નહિ તો મારે તને ભોંયભેગો કરી દેવો પડશે. હું તારા ભાઈ યોઆબને શું મોં બતાવીશ?” પણ અસાહેલે તેનો પીછો કરવાનું પડતું મૂકાયું નહિ. તેથી આબ્નેરે પાછા ફરીને પોતાના ભાલાથી તેના પેટમાં ઘા કર્યો, જેથી ભાલો તેની પીઠ પાછળ નીકળ્યો અને અસાહેલ જમીન પર પટકાઈને મરણ પામ્યો. તે પડયો હતો ત્યાં આવીને સૌ થંભી ગયા અને ઊભા રહ્યા. પણ યોઆબ અને અબિશાય આબ્નેરની પાછળ પડયા અને સૂર્યાસ્ત સમયે તેઓ ગિબ્યોનના વેરાન પ્રદેશમાં જવાને રસ્તે ગિબ્યાની પૂર્વમાં આવેલા આમ્મા પર્વત પર આવી પહોંચ્યા. બિન્યામીનના કુળના લોકો આબ્નેર પાસે ફરીથી એકઠા થયા અને પર્વતના શિખર પર પોતાની જમાવટ કરી. આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું, “શું આપણે સતત લડયા જ કરવાનું છે? અંતે વેરઝેર વિના બીજું કશું જ નહિ રહે તેની તને ખબર નથી પડતી? અમે તો તારા દેશબાંધવો છીએ. તું ક્યારે તારા માણસોને અમારો પીછો કરતા અટકાવીશ?” યોઆબે કહ્યું, “જીવતા ઈશ્વરના સમ, તું ન બોલ્યો હોત તો આવતી કાલ સવાર સુધી મારા માણસોએ તમારો પીછો કર્યો હોત.” પછી ઇઝરાયલીઓનો પીછો કરવાનું પડતું મૂકવા પોતાના માણસોને નિશાનીરુપે યોઆબે રણશિંગડું વગાડયું એટલે લોકો થંભી ગયા અને એમ યુદ્ધ બંધ થયું. આબ્નેર અને તેના માણસોએ આખી રાત યર્દન નદીની ખીણમાં થઈને કૂચ કરી. તેમણે યર્દન નદી પાર કરી. એમ બીજા દિવસની સવાર સુધી કૂચ કરતાં કરતાં તેઓ માહનાઇમમાં પાછા આવ્યા. પીછો પડતો મૂક્યા પછી યોઆબે પોતાના સર્વ માણસોને એકઠા કર્યા તો અસાહેલ ઉપરાંત બીજા ઓગણીસ માણસો ખૂટતા હતા. દાવિદના માણસોએ બિન્યામીનના વંશના આબ્નેરના 360 માણસો મારી નાખ્યા હતા. યોઆબ અને તેના માણસોએ અસાહેલનું શબ લઈને બેથલેહેમમાં તેમના કુટુંબની કબરમાં દફનાવ્યું. પછી તેઓ આખી રાત ચાલીને વહેલી સવારે હેબ્રોન પાછા આવ્યા. શાઉલના કુટુંબને ટેકો આપનાર લશ્કરી દળો અને દાવિદના કુટુંબને ટેકો આપનાર લશ્કરી દળો વચ્ચે લાંબા સમય સુધી વિગ્રહ ચાલ્યો. દાવિદનું કુટુંબ બળવાન થતું ગયું અને શાઉલનું કુટુંબ નિર્બળ થતું ગયું. દાવિદને વયાનુક્રમે આ છ પુત્રો હેબ્રોનમાં જન્મ્યા હતા: આમ્મોન, જેની માતા અહિનોઆમ યિભએલની હતી; કિલ્યાબ, જેની માતા ર્કામેલી નાબાલની વિધવા અબિગાઈલ હતી; આબ્શાલોમ, જેની માતા ગેશૂરના રાજા તાલ્માઈની પુત્રી માખા હતી; અદોનિયા, જેની માતા હાગ્ગીથ હતી; શેફાટયા, જેની માતા અબિટાલ હતી; ઈથ્રીમ, જેની માતા એગ્લી હતી. આ બધા પુત્રો હેબ્રોનમાં જન્મ્યા હતા. દાવિદના કુટુંબના ટેકેદાર લશ્કરી દળો અને શાઉલના કુટુંબને વફાદાર લશ્કરી દળો વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો. દરમ્યાનમાં શાઉલને વફાદાર માણસોમાં આબ્નેર વધારે અને વધારે શક્તિશાળી બનતો ગયો. એક દિવસે શાઉલના પુત્ર ઇશબોશેથે આબ્નેર પર અહિયાની પુત્રી એટલે શાઉલની ઉપપત્ની રિસ્પા સાથે સમાગમ કર્યાનો આક્ષેપ મૂક્યો. એથી આબ્નેર ક્રોધે ભરાયો. તેણે કહ્યું, “તું એમ માને છે કે હું વિસાત વિનાના યહૂદિયાનો સેનાપતિ છું? શું હું એના પક્ષનો છું? શરૂઆતથી જ તારા પિતા શાઉલ, તેના ભાઈઓ અને તેના મિત્રોને હું વફાદાર રહ્યો છું અને મેં તને દાવિદના હાથમાં સોંપી દીધો નથી. છતાં આજે એક સ્ત્રી સંબંધી તું મારા પર આક્ષેપ મૂકે છે? પ્રભુએ દાવિદને વરદાન આપ્યું છે કે તે શાઉલ અને તેના વંશજો પાસેથી રાજ્ય લઈ લેશે અને દાવિદને દાનથી બેરશેબા સુધી એટલે સમગ્ર દેશ પર ઇઝરાયલ અને યહૂદિયા બંનેનો રાજા બનાવશે. જો હું આ વાત સાચી ન ઠેરવું તો ઈશ્વર મને મારી નાખો.” *** ઇશબોશેથ આબ્નેરથી એટલો ગભરાતો હતો કે તે એક શબ્દ પણ બોલ્યો નહિ. દાવિદ હેબ્રોનમાં હતો તે સમયે આબ્નેરે સંદેશકો મોકલીને તેને કહેવડાવ્યું, “આ દેશ પર કોણ રાજ કરવાનું છે? મારી સાથે કરાર કર અને હું તને ઇઝરાયલને તારે પક્ષે કરી દેવામાં મદદ કરીશ.” દાવિદે કહ્યું, “ભલે, હું તારી સાથે કરાર કરીશ, પણ શરત એ કે તું મને મળવા આવે ત્યારે તારી સાથે શાઉલની પુત્રી મીખાલને મારી પાસે લાવવી.” અને દાવિદે ઇશબોશેથ પર સંદેશકો મોકલીને કહેવડાવ્યું, “મારી પત્ની મીખાલ મને પાછી આપ. તેની સાથે લગ્ન કરવા માટે મેં એક્સો પલિસ્તીઓની જનનેન્દ્રિયની ચામડી લાવી આપવાની કિંમત ચૂકવી છે.” તેથી ઇશબોશેથે મીખાલને તેના પતિ એટલે લાઇસના પુત્ર પાલ્ટીએલ પાસેથી બોલાવી લીધી. પાલ્ટીએલ બાહુરીમનગર સુધી તેની પાછળ રડતો રડતો ગયો, પણ આબ્નેરે કહ્યું, “તારે ઘેર પાછો જા.” એટલે તે ગયો. આબ્નેરે ઇઝરાયલના આગેવાનો સાથે મંત્રણા કરતાં કહ્યું, “લાંબા સમયથી તમે દાવિદ તમારો રાજા બને એવી માંગણી કરતા રહ્યા છો. હવે તમારે માટે તક છે. પ્રભુનો આ સંદેશ યાદ કરો: ‘હું મારા સેવક દાવિદ દ્વારા મારા ઇઝરાયલી લોકને પલિસ્તીઓ અને અન્ય સર્વ શત્રુઓના હાથથી બચાવીશ.” આબ્નેરે બિન્યામીનના કુળની સાથે પણ વાતચીત કરી અને પછી બિન્યામીન તથા ઇઝરાયલના લોકોએ જે સંમતિ આપી હતી તેની દાવિદને જાણ કરવા તે હેબ્રોન ગયો. આબ્નેર વીસ માણસો સાથે દાવિદ પાસે હેબ્રોનમાં આવ્યો ત્યારે દાવિદે તેમને મિજબાની આપી. આબ્નેરે દાવિદને કહ્યું, “હે રાજા, મારા માલિક, હું જઈને ઇઝરાયલને આપના પક્ષમાં કરી દઈશ. તેઓ તમારી સાથે કરાર કરીને તમને પોતાના રાજા તરીકે સ્વીકારશે અને પછી તમારી ઇચ્છા પૂરી થશે અને તમે સમગ્ર દેશ પર રાજ કરશો.” દાવિદે આબ્નેરને સલામતીની ખાતરી આપીને વિદાય કર્યો. પાછળથી યોઆબ અને દાવિદના બીજા સેવકો પોતાની સાથે પુષ્કળ લૂંટ સાથે ચઢાઈમાંથી પાછા ફર્યા. પણ આબ્નેર હવે દાવિદ પાસે હેબ્રોનમાં નહોતો. કારણ, દાવિદે તેને સલામતીની ખાતરી આપી વિદાય કર્યો હતો. યોઆબ અને તેના સૈનિકો પણ પાછા આવી પહોંચ્યા ત્યારે યોઆબને ખબર પડી કે આબ્નેર દાવિદ રાજાને મળવા આવ્યો હતો અને તેને સલામતીની ખાતરી સાથે પાછો મોકલવામાં આવ્યો છે. તેથી યોઆબે દાવિદ પાસે જઈને કહ્યું, “તમે આ શું કર્યું? આબ્નેર તમારી પાસે આવ્યો ત્યારે તમે તેને એ રીતે કેમ જવા દીધો? તે તમને છેતરવા માટે અને તમે શું કરો છો, ક્યાં જાઓ છો એ બધું જાણવા આવ્યો હતો. તમે તો એ બધું જાણો જ છો. દાવિદ પાસેથી ગયા પછી યોઆબે આબ્નેરને બોલાવવા સંદેશકો મોકલ્યા અને તેઓ તેને સીરાના ટાંકા પાસેથી પાછો બોલાવી લાવ્યા. પણ દાવિદ એ વિષે જાણતો નહોતો. આબ્નેર હેબ્રોન આવ્યો એટલે યોઆબ તેની સાથે અંગત વાતચીત કરવા માગતો હોય તેમ તે આબ્નેરને દરવાજા આગળ એક બાજુએ લઈ ગયો અને પોતાના ભાઈ અસાહેલના ખૂનનું વેર લેવા ત્યાં તેને પેટમાં ખંજરના ઘા માર્યા અને એમ તેને પેટમાં ખંજર ભોંકી દઈને મારી નાખ્યો. દાવિદને એ સમાચાર મળ્યા ત્યારે તે બોલ્યો, “પ્રભુ જાણે છે કે આબ્નેરના ખૂન વિષે હું અને મારો રાજવંશ નિર્દોષ છીએ. એના ખૂનની સજા યોઆબ અને તેના આખા કુટુંબ પર આવી પડો. એની સર્વ પેઢીમાં કોઈક ને કોઈક એવો માણસ હોય કે જેને પરમિયો કે રક્તપિત્તનો રોગ હોય અથવા જે માત્ર સ્ત્રીનું જ કામ કરવા યોગ્ય હોય અથવા તે યુદ્ધમાં મરી જાય અથવા તેની પાસે પૂરતું ખાવાનું ન હોય.” આમ, આબ્નેરે ગિબ્યોન ખાતેના યુદ્ધમાં અસાહેલને મારી નાખ્યો હતો તેનું વેર લેવા યોઆબ અને તેના ભાઈ અબિશાયે આબ્નેરનું ખૂન કર્યું. પછી દાવિદે યોઆબ અને તેના માણસોને પોતાનાં વસ્ત્ર ફાડવા, તાટનાં વસ્ત્ર પહેરવા અને આબ્નેરને માટે શોક કરવા હુકમ કર્યો. આબ્નેરની અંતિમક્રિયા સમયે દાવિદ રાજા પોતે તેની નનામીની પાછળ ચાલ્યો. આબ્નેરને હેબ્રોનમાં દફનાવવામાં આવ્યો અને દાવિદ રાજા પોક મૂકીને રડયો અને સર્વ લોકોએ પણ તેમ કર્યું. દાવિદે આબ્નેર વિષે આ મૃત્યુ ગીત ગાયું: “આબ્નેરને મૂર્ખ માણસની જેમ કેમ મરવું પડયું? ન તો તેના હાથ બાંધેલા હતા, ન તો તેના પગ સાંકળે બાંધેલા હતા. છતાં જેમ ખૂનીઓને હાથે કોઈ માર્યો જાય તેમ તે માર્યો ગયો.” દાવિદ કંઈ ખાય તે માટે લોકોએ આખો દિવસ પ્રયાસ કર્યો. પણ તેણે સોગંદ ખાધા, “દિવસ પૂરો થયા પહેલાં હું કંઈ પણ ખાઉં તો ઈશ્વર મારો નાશ કરો.” એ વાત લક્ષમાં લઈને તેઓ સૌ ખુશ થયા. વાસ્તવમાં, રાજા જે કાંઈ કરતો તેનાથી લોકો ખુશ થતા. દાવિદના સર્વ માણસો અને ઇઝરાયલના સર્વ લોકો સમજયા કે આબ્નેરના ખૂનમાં રાજાનો હાથ નથી. રાજાએ પોતાના અધિકારીઓને કહ્યું, “તમને નથી લાગતું કે આજે ઇઝરાયલનો મહાન આગેવાન મરણ પામ્યો છે? જો કે હું ઈશ્વરથી પસંદ કરાયેલો અભિષિક્ત રાજા છું. તો પણ આજે હું લાચારી અનુભવું છું. આ સરુયાના પુત્રો મારે માટે ભારે બંડખોર નીવડયા છે. પ્રભુ એ ખૂનીઓને યોગ્ય શિક્ષા કરો.” હેબ્રોનમાં આબ્નેરનું ખૂન થયું છે એ સાંભળતા શાઉલનો પુત્ર ઈશબોશેથ ગભરાયો અને ઇઝરાયલના લોકો ચેતી ગયા. ઇશબોશેથના બે અધિકારીઓ બાના અને રેખાબ છાપામાર લશ્કરી દળના આગેવાન હતા. તેઓ બિન્યામીનના કુળમાં આવેલા બેરોથ નગરના રિમ્મોનના પુત્રો હતા. (બેરોથ બિન્યામીનના કુળપ્રદેશમાં ગણાય છે. તેના મૂળ રહેવાસીઓ ગિત્તીમ નાસી ગયા અને ત્યારથી તેઓ ત્યાં જ રહે છે.) શાઉલનો બીજો એક વંશજ યોનાથાનનો પુત્ર મફીબોશેથ હતો. તે અપંગ હતો. શાઉલ અને યોનાથાન માર્યા ગયા ત્યારે તે પાંચ વર્ષનો હતો. યિભયેલ નગરથી તેમના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે મફીબોશેથને સાચવનારી દાસી તેને લઈને નાઠી, પણ તે એવી ઉતાવળમાં હતી કે તેના હાથમાંથી તે પડી ગયો અને તેથી તે અપંગ થઈ ગયો. રેખાબ અને બાના ઇશબોશેથને ઘેર જવા ઉપડયા અને મયાહ્ને તે આરામ કરતો હતો ત્યારે તેઓ ત્યાં પહોંચ્યા. બારણે બેઠેલી સ્ત્રી ઘઉં ઝાટક્તાં નિદ્રાવશ થઈને ઊંઘી ગઈ હતી. તેથી રેખાબ અને બાના ઘરમાં ધૂસી ગયા. એકવાર ઘરમાં પ્રવેશ્યા પછી તેઓ ઇશબોશેથ જ્યાં પોતાના શયનખંડમાં ભરઊંઘમાં હતો ત્યાં ગયા અને તેને મારી નાખ્યો. તેમણે તેનું માથું કાપી નાખ્યું અને તે લઈને આખી રાત યર્દન નદીની ખીણમાં ચાલ્યા. તેમણે હેબ્રોનમાં દાવિદ રાજાને તે માથું આપતાં કહ્યું, “તમને મારી નાખવાનો પ્રયાસ કરનાર તમારા શત્રુ શાઉલના પુત્ર ઇશબોશેથનું આ માથું છે. હે રાજા, મારા માલિક, આજે પ્રભુએ શાઉલ અને તેના વંશજો પર વેર વાળવાની તમને તક આપી છે.” દાવિદે તેમને જવાબ આપ્યો, “મને સર્વ સંકટોમાંથી બચાવનાર જીવતા પ્રભુના સમ, સિકલાગમાં આવીને મને શાઉલના મરણના સમાચાર કહેનાર સંદેશકના મનમાં એમ હતું કે તે શુભ સમાચાર લાવે છે. મેં એને પકડીને મારી નંખાવ્યો હતો. એના શુભ સમાચારનું મેં એ ઇનામ આપ્યું હતું. તો પછી પોતાના ઘરમાં ઊંઘતા નિર્દોષ માણસને મારી નાખનાર દુષ્ટોની કેવી ભૂંડી દશા થવી જોઈએ. એના ખૂનનો બદલો હું હવે તમારી પાસે લઈશ, અને પૃથ્વીના પટ પરથી તમને નષ્ટ કરી દઈશ.” દાવિદે હુકમ આપ્યો એટલે તેના સૈનિકોએ રિમ્મોન બરોથીના પુત્રો રેખાબ અને બાનાને મારી નાખ્યા અને તેમના હાથપગ કાપીને તેમને હેબ્રોનમાં તળાવ નજીક લટકાવ્યા. તેમણે ઇશબોશેથનું માથું લઈને હેબ્રોનમાં આબ્નેરની કબરમાં દફનાવ્યું. પછી ઇઝરાયલનાં સર્વ કુળોએ દાવિદ પાસે હેબ્રોનમાં આવીને કહ્યું, “અમારે તમારી સાથે લોહીની સગાઈ છે. ભૂતકાળમાં શાઉલ જ્યારે રાજા હતો ત્યારે પણ ઇઝરાયલીઓને યુદ્ધમાં આગેવાની આપનાર તમે જ હતા અને પ્રભુએ તમને વરદાન આપ્યું હતું કે તમે તેમના ઇઝરાયલી લોકના પાળક અને રાજા બનશો. એમ ઇઝરાયલના સર્વ આગેવાનો દાવિદ રાજા પાસે હેબ્રોનમાં આવ્યા. દાવિદે તેમની સાથે પ્રભુની સમક્ષ કરાર કર્યો. તેમણે તેનો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો. દાવિદ રાજા બન્યો ત્યારે તે ત્રીસ વર્ષનો હતો અને તેણે ચાલીસ વર્ષ રાજ કર્યું તેણે હેબ્રોનમાં રહીને યહૂદિયા પર સાડા સાત વર્ષ અને યરુશાલેમમાં રહીને સમસ્ત ઇઝરાયલ અને યહૂદિયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું. દાવિદ અને તેના માણસોએ યરુશાલેમ પર ચઢાઈ કરી. ત્યાં રહેતાં યબૂસીઓએ વિચાર્યું કે દાવિદ એ નગરને જીતી શકશે નહિ. તેથી તેમણે કહ્યું કે, “તું અહીં કદી જ પ્રવેશી શકશે નહિ, આંધળા અને અપંગો પણ તને બહારનો બહાર રાખી શકે તેમ છે.” (પણ દાવિદે તો એમનો સિયોનનો કિલ્લો જીતી લીધો અને તે ‘દાવિદનગર’ તરીકે જાણીતો થયો.) તે દિવસે દાવિદે પોતાના માણસોને કહ્યું, “જેઓ યબૂસીઓ પર હુમલો કરવા તત્પર હોય તેઓ ભૂગર્ભ જળમાર્ગે જઈને એ આંધળા અને અપંગો એટલે દાવિદના શત્રુઓ પર ત્રાટકે. (તેથી જ આવી કહેણી થઈ પડી છે કે, “આંધળા અને અપંગો પ્રભુના ઘરમાં પ્રવેશશે નહિ.” કિલ્લો જીતી લીધા પછી દાવિદ તેમાં રહ્યો અને તેને ‘દાવિદનું નગર’ એવું નામ આપ્યું. પર્વતની પૂર્વ બાજુએ જ્યાં જમીનમાં પૂરાણ કરવામાં આવ્યું હતું ત્યાંથી શરૂ કરીને તેણે તેની આજુબાજુ નગર બાંધ્યું. તે વધારે અને વધારે બળવાન થતો ગયો. કારણ, સેનાધિપતિ પ્રભુ ઈશ્વર તેની સાથે હતા. તૂરના રાજા હિરામે દાવિદ પાસે રાજદૂતો મોકલ્યા. તેણે દાવિદને મહેલ બાંધવા માટે ગંધતરુનાં લાકડાં, સુથારો અને શિલ્પકારો પૂરા પાડયાં. એ પરથી દાવિદને લાગ્યું કે પ્રભુએ તેને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે અને પોતાના લોક ઇઝરાયલને લીધે રાજ્યને વૈભવશાળી બનાવ્યું છે. હેબ્રોનથી યરુશાલેમમાં ગયા પછી દાવિદે બીજી વધારે ઉપપત્નીઓ અને પત્નીઓ કરી અને દાવિદને તેમનાથી બીજા પુત્રો અને પુત્રીઓ થયાં. યરુશાલેમમાં તેને ત્યાં જન્મેલાં તેનાં સંતાનો આ પ્રમાણે છે: શામ્મુઆ, શોબાબ, નાથાન, શલોમોન, યિબ્હાર, એલિશુઆ, નેફેગ, યાફિયા, એલિશામા, એલ્યાદા અને એલિફેલેટ. દાવિદ ઇઝરાયલ પર રાજા બન્યો છે એવી ખબર મળતાં પલિસ્તીઓએ તેને પકડવા સૈન્ય મોકલ્યું. દાવિદને એની જાણ થતાં તે કિલ્લેબંધીવાળા સ્થળમાં જતો રહ્યો. પલિસ્તીઓએ રફાઈમની ખીણનો કબજો લીધો. દાવિદે પ્રભુને પૂછયું, “પલિસ્તીઓ પર હુમલો કરું? શું તમે મને તેમના પર વિજય અપાવશો?” પ્રભુએ જવાબ આપ્યો, “હા. હુમલો કર. હું તને જરૂર વિજય અપાવીશ.” તેથી દાવિદ બઆલ પરીઝીમમાં ગયો અને ત્યાં તેણે પલિસ્તીઓને હરાવ્યા. તે બોલ્યો,” મારા શત્રુ પર પ્રભુ પૂરની જેમ ત્રાટકયા છે.” અને તેથી તે સ્થળનું નામ “બઆલ પરીઝીમ” (અર્થાત્ ત્રાટકનાર પ્રભુ) પડયું. પલિસ્તીઓ તેમની મૂર્તિઓ પડતી મૂકીને નાસી ગયા અને દાવિદ તથા તેના માણસો એ લઈ ગયા પછી પલિસ્તીઓ રફાઈમની ખીણમાં ફરીથી ગયા અને તેનો કબજો લીધો. ફરીવાર દાવિદે પ્રભુને પૂછી જોયું અને તેમણે જવાબ આપ્યો, “અહીંથી તેમના પર હુમલો કરીશ નહિ. પણ વળીને શેતૂરવૃક્ષની સામેથી તેમના પર હુમલો કરવાને તૈયાર રહે. શેતૂર વૃક્ષોની ટોચ પર તું લશ્કરની કૂચનો અવાજ સાંભળે ત્યારે હુમલો કરજે. કારણ, પલિસ્તીઓના સૈન્યને હરાવવા હું તારી અગાઉ કૂચ કરીશ.” દાવિદે પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યુ અને તેણે પલિસ્તીઓને ગેબાથી છેક ગેઝેર સુધી નસાડીને માર્યા. દાવિદે ફરીવાર ઇઝરાયલીઓમાંથી ત્રીસ હજાર ચુનંદા સૈનિકોને એકઠા કર્યા. કરુબો પર બિરાજનાર સેનાધિપતિ યાહવેને નામે ઓળખાતા ઈશ્વરની કરારપેટી બાલાથ-યહૂદિયામાંથી લાવવા માટે દાવિદ એ માણસોને લઈને ઉપડયો. તેઓ પર્વત પર આવેલા અબિનાદાબના ઘરમાંથી કરારપેટીને એક નવા ગાડામાં મૂકીને લાવતા હતા. અબિનાદાબના પુત્રો ઉઝઝા અને આહિયો ગાડું હાંક્તા હતા. આહિયો તો કરારપેટીની આગળ ચાલતો હતો. દાવિદ અને તેના માણસો પ્રભુની સમક્ષ પૂરા જોશથી નાચગાન કરતા હતા. તેઓ દેવદારના લાકડાંમાંથી બનાવેલાં વાજિંત્રો, વીણા, સિતાર, ડફ, મંજિરા અને ખંજરીઓ વગાડતા હતા. તેઓ નાખોનના અનાજના ખળા પાસે આવ્યા ત્યારે બળદોએ ઠોકર ખાધી એટલે ઉઝઝાએ આગળ વધીને કરારપેટી પકડી લીધી. તરત જ ઉઝઝા પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને ઈશ્વરે તેની ભૂલને લીધે તેને મારી નાખ્યો. ઉઝઝા ત્યાં કરારપેટી નજીક જ પટકાઈને મરણ પામ્યો. પ્રભુએ ઉઝઝા પર ત્રાટકીને તેને મારી નાખ્યો તેથી દાવિદને અત્યંત ખોટું લાગ્યું, તેથી તેણે તે સ્થળનું નામ “પેરેસ- ઉઝ્ઝા” એટલે “ઉઝઝા પર ત્રાટકવું” પાડયું, અને આજે ય એનું એ જ નામ ચાલે છે. તે દિવસે દાવિદને પ્રભુનો ડર લાગ્યો અને તેણે કહ્યું, “હવે હું પ્રભુની કરારપેટી મારે ત્યાં કેવી રીતે લઈ જાઉં? તેથી તે પ્રભુની કરારપેટી યરુશાલેમ લઈ જવા માગતો નહોતો અને પાછા વળીને ગાથ નગરના નિવાસી ઓબેદ-અદોમના ઘેર લઈ ગયો. કરારપેટી ત્યાં ત્રણ માસ રહી અને પ્રભુએ ઓબેદ-અદોમ અને તેના ઘરકુટુંબને આશિષ આપી. દાવિદે સાંભળ્યું કે ઈશ્વરની કરારપેટીને લીધે પ્રભુએ ઓબેદ-અદોમના કુટુંબને અને તેના સર્વસ્વને આશિષ આપી છે ત્યારે તે કરારપેટીને મહોત્સવ સહિત યરુશાલેમ લઈ આવવાને નીકળ્યો. કરારપેટી ઊંચકનારાઓ છ ડગલાં ચાલ્યા કે દાવિદે તેમને થોભાવીને આખલા અને માતેલા વાછરડાનું બલિદાન કર્યું. દાવિદ પોતાની કમરે માત્ર અળસી રેસાનું વસ્ત્ર વીંટાળીને પ્રભુની સમક્ષ પોતાના પૂરા બળથી નાચતો હતો. એમ દાવિદ તથા સર્વ ઇઝરાયલીઓ જયજયકારના પોકાર અને રણશિંગડાના નાદ સાથે ઈશ્વરની કરારપેટી યરુશાલેમ લઈ આવ્યા. પ્રભુની કરારપેટી શહેરમાં લાવવામાં આવી રહી હતી ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી ડોકિયું કર્યું અને તેણે રાજા દાવિદને પ્રભુની સમક્ષ નાચતો કૂદતો જોયો અને તેને તેના પ્રત્યે નફરત થઈ આવી. લોકોએ પ્રભુની કરારપેટી લાવીને દાવિદે તેને માટે ઊભા કરેલા તંબૂમાં મધ્ય ભાગમાં મૂકી. પછી તેણે પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચઢાવ્યાં. બલિ ચઢાવી રહ્યા પછી તેણે સેનાધિપતિ પ્રભુને નામે લોકોને આશિષ આપી. તેણે ઇઝરાયલના સમસ્ત સમુદાયને ભોજન પીરસ્યું. તેણે પ્રત્યેક સ્ત્રી અને પુરુષને રોટલી, શેકેલા માંસનો ટુકડો અને સૂકી દ્રાક્ષ આપ્યાં, પછી સૌ પોતપોતાને ઘેર ગયાં. તે પછી દાવિદ પોતાને ઘેર કુટુંબને આશિષ આપવા ગયો ત્યારે મીખાલ તેને મળવાને બહાર આવી. તેણે કહ્યું, “ઇઝરાયલનો રાજા આજે કેવો માનવંતો લાગતો હતો! કોઈ નિર્લજ્જ માણસ પોતાને નગ્ન કરે તેમ પોતાના અધિકારીઓની દાસીઓ સમક્ષ તેણે પોતાને આજે નગ્ન કર્યો.” દાવિદે જવાબ આપ્યો, “મને તારા પિતા અને તેમના કુટુંબની જગ્યાએ પસંદ કરીને પોતાના લોક ઇઝરાયલનો આગેવાન બનાવનાર પ્રભુની સમક્ષ હું નાચતો હતો. હું તો હજીયે પ્રભુ સમક્ષ નાચગાન કરતો રહીશ; અને મારી જાતને એથી વિશેષ હલકી પાડીશ. તારી આગળ મારી કંઈ વિસાત ન હોય પણ જે દાસીઓ વિષે તું બોલી છે તેઓ તો મારું સન્માન કરશે.” શાઉલની દીકરી મીખાલ જીવનભર નિ:સંતાન રહી. રાજા દાવિદ પોતાના મહેલમાં ઠરીઠામ થયો અને પ્રભુએ તેને તેની આસપાસના સર્વ શત્રુઓથી સલામત રાખ્યો. પછી રાજાએ ઈશ્વરના સંદેશવાહક નાથાનને પૂછયું, “હું અહીં ગંધતરુના લાકડાંમાંથી બનાવેલા નિવાસસ્થાનમાં રહું છું. પણ ઈશ્વરની કરારપેટી તંબૂમાં રાખવામાં આવે છે.” નાથાને કહ્યું, “તારા મનની ઇચ્છા પ્રમાણે કર, પ્રભુ તારી સાથે છે. પણ તે રાત્રે નાથાનને પ્રભુનો સંદેશ મળ્યો, “જઈને મારા સેવક દાવિદને કહે કે હું આમ કહું છું. શું તું નિવાસ માટે મંદિર બાંધશે? ઇજિપ્તમાંથી મેં મારા લોકને મુક્ત કર્યા ત્યારથી આજ દિવસ સુધી હું મંદિરમાં વસ્યો નથી. મંડપમાં અને તંબૂમાં વસીને હું મુસાફરી કરતો રહ્યો છું. ઇઝરાયલી લોકો સાથેની મારી સર્વ મુસાફરી દરમિયાન મેં તેમના પર નીમેલા આગેવાનોમાંના કોઈને કદી પૂછયું નથી કે તમે મારે માટે ગંધતરુના લાકડાંનું મંદિર કેમ બાંધ્યું નથી? તેથી મારા સેવક દાવિદને જઈને કહે કે હું સેનાધિપતિ પ્રભુ તને કહું છું; ‘ઘાસનાં મેદાનમાં તું ઘેટાં પાછળ રઝળતો હતો ત્યાંથી મેં તને ઉઠાવીને મારા ઇઝરાયલી લોકો પર આગેવાન બનાવ્યો છે. તું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું અને તું આગેકૂચ કરતો ગયો તેમ મેં તારા સર્વ શત્રુઓને હરાવ્યા. દુનિયાના સૌથી મહાન આગેવાનો જેવો હું તને નામાંક્તિ બનાવીશ. મેં મારા ઇઝરાયલી લોકો માટે જગ્યા પસંદ કરીને ત્યાં તેમને ઠરીઠામ કર્યા છે. હવે તેઓ ત્યાં જ વસશે, ભૂતકાળમાં એટલે મેં તેમના પર ન્યાયાધીશો નીમ્યા તે વખતે ક્રૂર લોકો તેમના પર જુલમ ગુજારતા હતા, પણ હવે તેમને કોઈ પરેશાન કરશે નહિ. હું તેમને તેમના સર્વ શત્રુઓથી સલામતી બક્ષીશ. વળી, પ્રભુ તને આમ કહે છે; હું તારો રાજવંશ સ્થાપીશ. *** જ્યારે તું મરણ પામે અને તારા પૂર્વજ પાસે તને દફનાવવામાં આવે ત્યારે હું તારા પુત્રોમાંના એકને રાજા બનાવીશ અને તેનું રાજ્ય સ્થાપીશ. તે જ મારા નામના સન્માર્થે મંદિર બાંધશે અને હું તેનું રાજ્યાસન અચલ કરીશ. હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. જ્યારે તે ખોટું કરશે ત્યારે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે તેમ હું તેને શિક્ષા કરીશ અને તેનાથી મારી સોટી કે મારા ફટકા પાછા રાખીશ નહિ. પણ તું રાજા બને તે માટે શાઉલ પાસેથી મારો ટેકો ખેંચી લઈને મેં તેને દૂર કર્યો તેમ હું તારા વારસદાર પાસેથી મારો ટેકો ખેંચી લઈશ નહિ. તારા વારસદારોને અને તારા રાજ્યને તારી સમક્ષ હું સંસ્થાપિત કરીશ અને તારું રાજ્યાસન સદાકાળને માટે સ્થિર રાખીશ.” ઈશ્વરે નાથાનને દર્શનમાં પ્રગટ કરેલી બધી વાત તેણે દાવિદને કહી સંભળાવી. પછી દાવિદ પ્રભુની સમક્ષ મંડપમાં ગયો અને ત્યાં બેસીને પ્રાર્થના કરી, “હે પ્રભુ પરમેશ્વર, મારી અને મારા કુટુંબની શી વિસાત કે તમે મને આવા ઉચ્ચપદે બેસાડયો છે? છતાં હે પ્રભુ પરમેશ્વર, તમારી દૃષ્ટિમાં એ ય જાણે નજીવું હોય તેમ તમે તમારા સેવકના કુટુંબના સંબંધમાં લાંબા કાળ માટે વચન આપ્યું છે અને હે પ્રભુ પરમેશ્વર, આ તો માનવી ધોરણોનેય ટપી જાય એવી વાત છે. હવે હે પ્રભુ, દાવિદ તમને વિશેષ શું કહે? કારણ, પ્રભુ પરમેશ્વર તમે તમારા સેવકને જાણો છો. આ બધામાં તમારી ઇચ્છા અને હેતુ હતાં. તમે આપેલા વચનને લીધે અને તમારી ખુદની ઇચ્છા પ્રમાણે તમે એ સઘળી મહાન બાબતો તમારા સેવકને જણાવી છે. હે પ્રભુ પરમેશ્વર, તમે કેવા મહાન છો. તમે એકમાત્ર અને અનન્ય ઈશ્વર છો, અમે જે કંઈ સાંભળ્યું છે તે એ વાતનું સમર્થન આપે છે. વળી, પૃથ્વીના પટ પર તમારા ઇઝરાયલી લોક જેવી અન્ય કોઈ પ્રજા નથી. તેમને તમારા લોક કરી લેવા માટે તમે જાતે તેમને મુક્ત કરવા ગયા. જેમને તમે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા એ તમારા લોકને તમારા દેશમાં વસાવવા તમે તમારી નામના માટે મોટાં અને ભયંકર કૃત્યો કરીને તેમની આગળથી અન્ય દેશજાતિઓ અને તેમના દેવોને હાંકી કાઢયા. તમે ઇઝરાયલને સદાને માટે તમારા પોતાના લોક બનાવ્યા છે અને તમે પ્રભુ તેમના ઈશ્વર બન્યા છો. હવે ઓ પ્રભુ પરમેશ્વર, તમે મારે માટે અને મારા વંશજો માટે જે વચનો આપ્યાં છે તે હંમેશને માટે પરિપૂર્ણ કરો; જેથી તમારા નામનો મહિમા થાય અને લોકો કહે કે, સેનાધિપતિ પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર છે. તમે મને, તમારા સેવકને આ બધું પ્રગટ કર્યું છે અને ઓ પ્રભુ પરમેશ્વર, એવું તમે જાતે જ જણાવ્યું છે અને તેથી તમને આ પ્રાર્થના કરવાની મેં હિંમત ધરી છે. હે પ્રભુ પરમેશ્વર, તમે તો ઈશ્વર છો. તમારાં વચન અફર છે અને મને આ અદ્‍ભુત વચન આપ્યું છે. ઓ પ્રભુ પરમેશ્વર, તમે વચન આપ્યું છે તેથી હવે કૃપા કરીને તમારા સેવકના રાજકુટુંબને આશિષ આપો કે તે તમારી સમક્ષ જારી રહે. તમારી જ આશિષથી તમારા આ સેવકનું રાજકુટુંબ સદાની આશિષ પામશે.” કેટલાક સમય બાદ દાવિદે પલિસ્તીઓ પર ફરીથી ચઢાઈ કરીને તેમને હરાવ્યા અને દેશ પરના તેમના નિયંત્રણોનો અંત આણ્યો. પછી તેણે મોઆબીઓને હરાવ્યા. તેણે યુદ્ધ કેદીઓને જમીન પર સુવાડીને દોરીથી માપ્યા. તેણે બે દોરીના માપમાં આવતા માણસોને મારી નાખ્યા, જ્યારે પછીની એક દોરીના માપમાં આવતા માણસોને જીવતા રાખ્યા. બે તૃતીયાંશ ભાગના લોકોને મારી નાખ્યા, જ્યારે બાકીનાને જીવતા રાખ્યા. આમ, મોઆબીઓ તેના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યા. પછી યુફ્રેટિસના ઉપરવાસના પ્રદેશ પર પોતાનો કબજો ફરીથી જમાવવા જતા સોબા રાજ્યના રાજા એટલે રેહોબના પુત્ર હદાદએઝેરને તેણે હરાવ્યો. દાવિદે તેના 1700 ઘોડેસ્વારો અને 20,000 સૈનિકોને પકડી લીધા. તેણે એક સો રથો પૂરતા ઘોડા રાખી લીધા અને બાકીના ઘોડાના પગની નસો કાપી નાખીને તેમને અપંગ કરી નાખ્યા. જ્યારે દમાસ્ક્સના અરામીઓએ હદાદએઝેર રાજાને મદદ કરવા સૈન્ય મોકલ્યું ત્યારે દાવિદે તેના પર ત્રાટકીને બાવીસ હજાર માણસોને મારી નાખ્યા. પછી તેણે દમાસ્ક્સના અરામીઓના પ્રદેશમાં લશ્કરી છાવણીઓ નાખી અને અરામીઓએ તેની તાબેદારી સ્વીકારી અને તેને ખંડણી ભરવા લાગ્યા. પ્રભુએ દાવિદને સર્વ જગ્યાએ વિજયવંત કર્યો. હદાદએઝેરના લશ્કરી અધિકારીઓની સોનાની ઢાલો દાવિદ યરુશાલેમ લાવ્યો. વળી, હદાદએઝેરના શાસન હેઠળનાં બેરા અને બેરોથાય નામનાં શહેરોમાંથી તે મોટા જથ્થામાં તાંબુ લઈ આવ્યો. દાવિદે હદાદએઝેરના આખા સૈન્યને હરાવ્યું છે એ વાત હમાથના રાજા ટોઈના સાંભળવામાં આવી. તેથી તેણે પોતાના પુત્ર યોરામને દાવિદને શુભેચ્છા પાઠવવા અને હદાદએઝેર રાજા પર વિજય મેળવવા બદલ તેને અભિનંદન આપવા મોકલ્યો; કારણ, ટોઈને હદાદએઝેર સાથે સતત વિગ્રહ ચાલતો હતો. યોરામ દાવિદ પાસે સોનું, રૂપુ અને તાંબાની ભેટસોગાદો લઈને ગયો. દાવિદે એ ભેટસોગાદો તથા અદોમ, મોઆબ, આમોન, પલિસ્તીયા અને અમાલેકનાં રાજ્યો પર જીત મેળવીને મેળવેલું સોનું, રૂપું તથા સોબાના રાજા એટલે રેહોબના પુત્ર હદાદએઝેર પાસેથી મેળવેલી લૂંટ પ્રભુને અર્પણ કર્યાં. *** મીઠાની ખીણમાં અઢાર હજાર અદોમીઓને હરાવીને દાવિદ પાછો આવ્યો ત્યારે તે એથીયે વિશેષ નામાંક્તિ બન્યો. તેણે આખા અદોમમાં લશ્કરી છાવણીઓ ઊભી કરી અને તેથી તે લોકોએ તાબેદારી સ્વીકારી. આમ, દાવિદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પ્રભુએ તેને વિજયવંત બનાવ્યો. દાવિદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યુ અને તેની સમગ્ર પ્રજા પ્રત્યે દાવિદ ન્યાયી અને સમભાવી વર્તાવ રાખતો. યોઆબ જેની માતાનું નામ સરુયા હતું તે લશ્કરનો સેનાપતિ હતો. અહિલૂદનો પુત્ર યહોશાફાટ મંત્રી હતો. અહિટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અહિમેલેખ યજ્ઞકારો હતા. સરાયા ન્યાય કચેરીનો સચિવ હતો. કરેથીઓ અને પલેથીઓ દાવિદના અંગરક્ષકો હતા. યહોયાદાનો પુત્ર બનાયા તે અંગરક્ષકોનો ઉપરી હતો અને દાવિદના પુત્રો યજ્ઞકારો હતા. દાવિદે પૂછયું, “શાઉલના કુટુંબમાંનું હજુ સુધી કોઈ બાકી રહ્યું છે? જો હોય તો યોનાથાનને લીધે હું તેના પર પ્રેમ દર્શાવવા માગું છું.” સીબા નામે શાઉલના કુટુંબનો એક નોકર હતો. તેને દાવિદ પાસે જવાનું કહેવામાં આવ્યું. રાજાએ તેને પૂછયું, “તું સીબા છે?” તેણે જવાબ આપ્યો, “જી, મહારાજ.” રાજાએ તેને પૂછયું, “શાઉલના કુટુંબમાંનું કોઈ બાકી રહ્યું છે કે હું તેના પર ઈશ્વરના જેવો અપાર પ્રેમ દાખવું?” સીબાએ જવાબ આપ્યો, “હજુ યોનાથાનનો એક પુત્ર બાકી છે, તે લંગડો છે.” રાજાએ પૂછયું, “તે ક્યાં છે?” સીબાએ જવાબ આપ્યો, “તે લો-દબારમાં આમ્મીએલના પુત્ર માખીરને ઘેર છે.” તેથી રાજાએ તેને બોલાવ્યો. શાઉલનો પૌત્ર મફીબોશેથ આવ્યો ત્યારે તેણે દાવિદને ભૂમિ સુધી શિર નમાવીને નમન કર્યું. દાવિદે કહ્યું, “મફીબોશેથ.” તેણે જવાબ આપ્યો, “જી, રાજન.” દાવિદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને લીધે હું તારા પ્રત્યે માયાળુ રહીશ. તારા દાદા શાઉલની સઘળી જમીન જાગીર હું તને પાછી આપીશ અને તું હંમેશા મારી સાથે જમજે.” મફીબોશેથે ફરીથી નમન કરીને કહ્યું, “મહારાજા, હું તો મરેલા કૂતરા જેવો છું. તો પણ તમે મારા પ્રત્યે આટલી ભલાઈ દર્શાવો છો!” પછી રાજાએ શાઉલના નોકર સીબાને બોલાવીને કહ્યું, “તારા માલિકના પૌત્ર મફીબોશેથને શાઉલ તથા તેના કુટુંબનું સર્વસ્વ આપી દઉં છું. તારે, તારા પુત્રોએ અને તારા નોકરોએ તારા માલિક શાઉલના કુટુંબને વાસ્તે એ જમીનમાં ખેતી કરવાની છે અને તેની ઊપજમાંથી તેમનું ભરણપોષણ કરવાનું છે. પણ મફીબોશેથ પોતે તો હંમેશા મારી સાથે જ જમશે.” (સીબાને પંદર પુત્રો અને વીસ સેવકો હતા.) સીબાએ જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આપના કહેવા પ્રમાણે હું બધું કરીશ.” એમ મફીબોશેથ રાજાના એક પુત્રની માફક રાજાની સાથે જ જમતો. મફીબોશેથને મિખા નામે એક યુવાન પુત્ર હતો. સીબાના કુટુંબના બધા સભ્યો મફીબોશેથના નોકર બન્યા. આમ, બન્‍ને પગે લંગડો મફીબોશેથ યરુશાલેમમાં રહ્યો અને રાજાની સાથે જ જમતો. થોડાએક સમય બાદ આમ્મોનનો રાજા નાહાશ મરણ પામ્યો અને તેનો પુત્ર હાનૂન રાજા બન્યો. દાવિદ રાજાએ કહ્યું, “હાનૂનના પિતા નાહાશે મારા પ્રત્યે જેવો સદ્ભાવ દાખવ્યો હતો તેવો જ સદ્ભાવ હું હાનૂન પ્રત્યે દાખવીશ.” દાવિદે તેના પિતાના મૃત્યુ સંબંધી તેને દિલાસો દેવા રાજદૂત મોકલ્યા. તેઓ આમ્મોનમાં આવી પહોંચ્યા એટલે આમ્મોનના રાજદરબારીઓએ રાજાને કહ્યું, “તમે એમ માનો છો કે દાવિદે તમારા પિતાના માનમાં તમારા પ્રત્યે હમદર્દી દર્શાવવા આ સંદેશકો મોકલ્યા છે? અલબત્ત, નહિ. તેણે તો તેમને નગરની જાસૂસી કરવા મોકલ્યા છે, જેથી તે આપણને જીતી લે.” હાનૂને દાવિદના સંદેશકોને પકડીને તેમની દાઢી એકબાજુથી કાપી નખાવી અને કમરથી નીચેના ભાગનાં વસ્ત્ર વચ્ચોવચ્ચથી ફાડી નખાવીને તેમને મોકલી દીધા. તેમને ઘેર જતાં ઘણી શરમ લાગતી હતી. એ બનાવ વિષે સાંભળીને દાવિદે તેમના પર સંદેશો મોકલ્યો કે તેઓ યરીખોમાં જ રહે અને તેમની દાઢી વધે પછી પાછા આવે. આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા. દાવિદે એ સાંભળીને યોઆબને સમગ્ર સૈન્ય લઈને તેમની સામે લડવા મોકલ્યો. આમ્મોનીઓ કૂચ કરી બહાર આવ્યા અને તેમની રાજધાની રાબ્બાના પ્રવેશદ્વારે મોરચો નાખ્યો, જ્યારે અરામીઓ, ટોબના માણસો અને માખાએ સીમના ખુલ્લા મેદાનમાં મોરચો નાખ્યો. યોઆબે જોયું કે શત્રુની લશ્કરી ટુકડીઓ સામેથી અને પાછળથી હુમલો કરશે. તેથી ઇઝરાયલી સેનામાંથી ચુનંદા સૈનિકોને અરામીઓ સામે લડવાને ગોઠવ્યા. પોતાની બાકીની લશ્કરી ટુકડીઓને તેણે પોતાના ભાઈ અબિશાયની સરદારી હેઠળ રાખી. તેમને આમ્મોનીઓની સામે લડવાના મોરચે રાખ્યા. યોઆબે તેને કહ્યું, “તને એમ ખબર પડે કે અરામીઓ મને હરાવી રહ્યા છે તો તું મારી મદદે આવજે અને આમ્મોનીઓ તને હરાવતાં જણાય તો હું તારી મદદે આવીશ. બળવાન થઈને હિમ્મત રાખજે. આપણે આપણા લોકો અને આપણા ઈશ્વરનાં શહેરો માટે ઉગ્ર જંગ ખેલીને શૌર્ય દાખવીએ. પછી જેવી પ્રભુની ઇચ્છા.” યોઆબ અને તેના માણસોએ હુમલો કર્યો. અને અરામીઓ ભાગ્યા. અરામીઓને ભાગતા જોઈને આમ્મોનીઓએ પણ અબિશાય આગળથી પીછેહઠ કરી અને નગરમાં ધૂસી ગયા. પછી યોઆબ આમ્મોનીઓ સામેની લડાઈમાંથી પાછો ફર્યો અને યરુશાલેમ ગયો. અરામીઓએ જોયું કે ઇઝરાયલીઓએ તેમને હરાવ્યા છે તેથી તેમણે તેમનાં સર્વ સૈન્યો એકઠાં કર્યાં. યુફ્રેટિસ નદીની પૂર્વ બાજુએથી હદાદએઝેરે અરામીઓને આમંત્રણ આપ્યું. તેઓ સોબાના રાજા હદાદએઝેરના સેનાપતિ શોબાખની આગેવાની નીચે હેલામમાં આવ્યા. એ સાંભળીને દાવિદે ઇઝરાયલી લશ્કરની જમાવટ કરીને યર્દન નદી પાર ઊતરીને હેલામ તરફ કૂચ કરી. પછી અરામીઓએ આક્રમણ કર્યું. ઇઝરાયલીઓએ અરામીઓને હરાવ્યા. દાવિદે અને તેના માણસોએ સાતસો સારથિઓને અને 40,000 ઘોડેસ્વારોને મારી નાખ્યા. તેમણે શત્રુઓના સેનાપતિ શોબાખને એવો માર્યો કે તે રણક્ષેત્ર પર જ મરણ પામ્યો. હદાદએઝેરની સરદારી નીચેના રાજાઓએ જોયું કે ઇઝરાયલીઓએ તેમને હરાવ્યા છે ત્યારે તેમણે તેમની સાથે સલાહશાંતિ કરી. તેમને આધીન થયા પછી આમ્મોનીઓને ફરીથી મદદ કરતાં અરામીઓ ગભરાતા. વસંતઋતુમાં રાજાઓ સામાન્ય રીતે યુદ્ધ કરવા જતા. તે સમયે દાવિદે યોઆબને તેના અધિકારીઓ સહિત ઇઝરાયલી સૈન્ય લઈને મોકલ્યો. તેમણે આમ્મોનીઓનો ભારે સંહાર કર્યો અને રાબ્બા નગરને ઘેરો ઘાલ્યો. પણ દાવિદ પોતે તો યરુશાલેમમાં રહ્યો. એક દિવસે સાંજે દાવિદ પોતાના પલંગ પરથી ઊઠીને રાજમહેલની અટારીમાં ગયો. તે ઉપર આંટા મારતો હતો ત્યારે તેણે એક સ્ત્રીને સ્નાન કરતી જોઈ. તે ઘણી સુંદર હતી. તેથી તે કોણ છે એની તપાસ કરવા તેણે સંદેશક મોકલ્યો અને તેને ખબર પડી કે તે તો એલિયામની પુત્રી, ઉરિયા હિત્તીની પત્ની બાથશેબા હતી. દાવિદે તેને લઈ આવવા માણસો મોકલ્યા. તેઓ તેને દાવિદ પાસે લાવ્યા અને તેણે તેની સાથે સમાગમ કર્યો. (માસિક આવ્યા પછીની શુદ્ધિકરણની વિધિ તેણે ત્યારે જ પૂરી કરી હતી.) પછી તે ઘેર ગઈ. એ સ્ત્રીને પછીથી ખબર પડી કે પોતે સગર્ભા થઈ છે અને તેણે દાવિદને તે જણાવવા સંદેશો મોકલ્યો. ત્યારે દાવિદે માણસો મોકલીને યોઆબને સંદેશો પાઠવ્યો. “ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ.” તેથી યોઆબે તેને દાવિદ પાસે મોકલ્યો. ઉરિયા આવી પહોંચ્યો એટલે દાવિદે તેને પૂછયું, “યોઆબ અને લશ્કરી ટુકડીઓના શા હાલ છે? યુદ્ધ કેવું ચાલે છે?” પછી તેણે ઉરિયાને કહ્યું, “ઘેર જઈને થોડો સમય આરામ કર.” ઉરિયા ત્યાંથી ગયો અને દાવિદે તેને ઘેર ભેટ મોકલી આપી. પણ ઉરિયા ઘેર નહિ જતાં મહેલના પ્રવેશદ્વારે સંરક્ષકો સાથે સૂઈ રહ્યો. દાવિદને ખબર મળી કે ઉરિયા ઘેર ગયો નથી ત્યારે તેણે તેને કહ્યું, “લાંબી મુસાફરી પછી તું હમણાં જ પાછો ફર્યો છે, તો પછી તું ઘેર કેમ ગયો નથી?” ઉરિયાએ જવાબ આપ્યો, “કરારપેટી તેમ જ ઇઝરાયલ અને યહૂદિયાના માણસો રણક્ષેત્ર પર તંબૂઓમાં રહે છે. મારા સેનાપતિ યોઆબ અને તેમના લશ્કરી અમલદારો ખુલ્લા મેદાનમાં છાવણી નાખી રહે છે, તો પછી હું ઘેર જઈને કેવી રીતે ખાઉંપીઉં અને મારી પત્ની સાથે સૂઈ જાઉં? તમારા અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે હું એવું કદી નહિ કરું.” તેથી દાવિદે કહ્યું, “તો પછી આજનો દિવસ અહીં જ રહે અને કાલે હું તને પાછો મોકલીશ. તેથી ઉરિયા તે દિવસે અને તે પછીના દિવસે યરુશાલેમમાં જ રહ્યો. દાવિદે તેને સાંજના ભોજન માટે આમંત્રણ આપ્યું. ઉરિયાએ દાવિદ સાથે ખાધુંપીધું. દાવિદે તેને ખૂબ દારૂ પીવડાવીને ચકચૂર બનાવ્યો. છતાં તે રાત્રે પણ ઉરિયા ઘેર ગયો નહિ. એને બદલે, મહેલના રક્ષકદળની ઓરડીમાં તેની પથારીમાં સૂઈ ગયો. બીજે દિવસે દાવિદે યોઆબ પર પત્ર લખ્યો અને તે ઉરિયા સાથે મોકલ્યો. તેણે લખ્યું હતું, “જ્યાં ઉગ્ર જંગ જામ્યો હોય ત્યાં ઉરિયાને પ્રથમ હરોળમાં રાખજો અને પછી પીછેહઠ કરી તેને મરી જવા દેશો.” તેથી યોઆબ નગરની આસપાસ ઘેરો ગોઠવતો હતો ત્યારે શત્રુનું જ્યાં વધારે જોર હતું એ જગ્યાએ તેણે ઉરિયાને મોકલ્યો. શત્રુનું સૈન્ય શહેરમાંથી નીકળી આવ્યું અને તેણે યોઆબના સૈન્ય પર આક્રમણ કર્યું. દાવિદના કેટલાક સૈનિકો અને ઉરિયા માર્યા ગયા. પછી યોઆબે દાવિદ પર યુદ્ધનો અહેવાલ મોકલ્યો અને તેણે સંદેશકને કહ્યું, “રાજાને યુદ્ધ વિષે તું બધું કહીશ, ત્યારે તે તારા પર ગુસ્સે થઈને તને પૂછશે કે, ‘તમે તેમની સાથે લડવાને શહેરની એટલા નજીક કેમ ગયા? તેઓ કોટ પરથી બાણો મારશે એવી શું તમને ખબર નહોતી? ગિદિયોનનો પુત્ર અબિમેલેખ કેવી રીતે માર્યો ગયો એ શું તમને યાદ નથી? થેબેઝમાં એક સ્ત્રીએ કોટ ઉપરથી ઘંટીનું ઉપલું પડ ફેંકીને તેને મારી નાખ્યો નહોતો?’ જો રાજા તને એવું પૂછે તો તેમને આટલું કહેજે: ‘તમારો સેવક ઉરિયા હિત્તી પણ મરણ પામ્યો છે.” તેથી સંદેશક ઉપડયો અને દાવિદ પાસે જઈને યોઆબે આપેલી આજ્ઞા પ્રમાણે તેને બધો અહેવાલ આપ્યો. તેણે કહ્યું, “આપણા શત્રુ આપણા કરતાં વિશેષ બળવાન હતા. તેઓ શહેર બહાર આવીને અમારી સાથે મેદાનમાં લડયા. પણ અમે તેમને પાછા શહેરના દરવાજામાં ધકેલી દીધા. પછી તેમણે અમારા પર કોટ ઉપરથી બાણ માર્યા અને હે રાજા, તમારા કેટલાક સૈનિકો માર્યા ગયા. તમારો સેવક ઉરિયા પણ માર્યો ગયો.” દાવિદે સંદેશકને કહ્યું, “યોઆબને પ્રોત્સાહન આપજે અને તેને કહેજે કે નાસીપાસ ન થાય. કારણ, લડાઈમાં કોણ મરી જશે એ કોઈ કહી શકે નહિ. તેને વધારે જબ્બર હુમલો કરીને શહેરને કબજે કરવાનું કહેજે.” પોતાનો પતિ માર્યો ગયો છે એવું બાથશેબાએ જાણ્યું ત્યારે તેણે તેને માટે શોક કર્યો. તેના શોકના દિવસો પૂરા થયા એટલે દાવિદે તેને મહેલમાં બોલાવી લીધી, તે તેની પત્ની થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો. દાવિદના એ કાર્યથી પ્રભુ અત્યંત નારાજ થયા. પછી પ્રભુએ સંદેશવાહક નાથાનને દાવિદ પાસે મોકલ્યો. નાથાને તેની પાસે જઈને તેને કહ્યું, “એક નગરમાં બે માણસો રહેતા હતા. એક શ્રીમંત અને બીજો ગરીબ. શ્રીમંત પાસે ઘણાં ઢોરઢાંક અને ઘેટાં હતાં. પણ ગરીબ પાસે તેણે ખરીદેલી એકમાત્ર નાની ઘેટી હતી. તે તેની સંભાળ રાખતો અને તેણે તેને પોતાના ઘરમાં પોતાનાં છોકરા સાથે ઉછેરી હતી. તે પોતાના ખોરાકમાંથી તેને ખવડાવતો, તેના પ્યાલામાંથી તેને પાણી પીવા દેતો અને પોતાના ખોળામાં સૂવા દેતો. ઘેટી તેને મન પોતાની પુત્રી સમાન હતી. એક દિવસે શ્રીમંત માણસના ઘેર એક મુસાફર આવ્યો. તેને માટે ભોજન બનાવવાને પોતાનાં ઢોરઢાંકમાંથી એકાદ કાપવાને શ્રીમંત માણસ તૈયાર નહોતો. એને બદલે, તેણે પેલા ગરીબની ઘેટી પડાવી લઈને પોતાના મહેમાનને માટે તેમાંથી ભોજન તૈયાર કર્યું.” પેલા શ્રીમંત પર દાવિદનો ક્રોધ તપી ઊઠયો. તેણે નાથાનને કહ્યું, “હું જીવંત પ્રભુને નામે સોગંદ ખાઉં છું કે એવું કરનાર માણસ મૃત્યુદંડ પામવાને પાત્ર છે. તેણે પડાવી લીધેલી ઘેટીને બદલે તેના કરતાં ચારગણું ભરપાઈ તેણે કરી આપવું પડશે. કારણ, તેણે આવું ક્રૂર કૃત્ય કર્યું છે અને દયા દાખવી નથી.” નાથાને દાવિદને કહ્યું, “તું જ એ માણસ છે. ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ કહે છે: ‘મેં તારો અભિષેક કરીને તને ઇઝરાયલનો રાજા બનાવ્યો અને શાઉલથી તારો બચાવ કર્યો. મેં તને તેનું રાજ્ય અને તેની સ્ત્રીઓ આપી. મેં તને ઇઝરાયલ અને યહૂદિયાનો રાજા બનાવ્યો. એટલું પૂરતું ન લાગતું હોત, તો મેં તને એથીય વિશેષ આપ્યું હોત. તો પછી તેં પ્રભુની આજ્ઞા ઉથાપીને તેમની દૃષ્ટિમાં આવું અઘોર કૃત્ય કેમ કર્યું છે? તેં ઉરિયાને યુદ્ધમાં મારી નંખાવ્યો, આમ્મોનીઓને હાથે તેં તેને મારી નંખાવ્યો અને પછી તેની પત્નીને રાખી. તેં પ્રભુની ઉપેક્ષા કરીને ઉરિયાની પત્ની રાખી હોવાથી તારા કુટુંબમાં હમેશાં અંદરોઅંદર ખૂનરેજી ચાલ્યા કરશે.” વળી, પ્રભુ કહે છે, “તારા પોતાના કુટુંબમાંથી જ તારી સામે વિદ્રોહ થશે. તને ય જાણ પડે એ રીતે હું તારી પત્નીઓ લઈને બીજા માણસોને આપીશ. તે ધોળે દિવસે તેમની આબરુ લેશે. તેં ગુપ્ત રીતે પાપ કર્યું, પણ એ હું સર્વ ઇઝરાયલના દેખતાં ધોળે દિવસે થવા દઈશ.” દાવિદે કહ્યું, “સાચે જ મેં પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે.” નાથાને જવાબ આપ્યો, “પ્રભુ તને ક્ષમા આપે છે, તું માર્યો જઈશ નહિ. પણ પ્રભુના શત્રુઓ કરે તેમ તેં આ કૃત્યથી પ્રભુનો અત્યંત તિરસ્કાર કર્યો છે અને તેથી તારું નવજાત બાળક મરી જશે.” પછી નાથાન ઘેર ગયો. ઉરિયાની પત્નીને દાવિદથી થયેલા બાળકને પ્રભુએ સખત બીમાર પાડયું. બાળક સાજું થાય તે માટે દાવિદે ઈશ્વરને પ્રાર્થના કરી. તેણે કંઈ પણ ખાવાનો ઇનકાર કર્યો. તે રાત્રે પોતાની ઓરડીમાં જતો અને જમીન પર પડી રહીને રાત પસાર કરતો. તેના રાજદરબારીઓએ તેની પાસે જઈને તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. પણ તેણે ઇનકાર કર્યો અને તેમની સાથે કંઇ ખાધું નહિ. એક સપ્તાહ પછી બાળક મરી ગયું અને દાવિદના અધિકારીઓ તેને એ સમાચાર જણાવતાં ડરતા હતા. તેમણે કહ્યું, “બાળક જીવતું હતું ત્યારે દાવિદ આપણું કહેવું કે બોલવું માનતો કે સાંભળતો નહિ; તો તેનું બાળક મરણ પામ્યું છે એવું આપણાથી કેવી રીતે કહેવાય? તે પોતે જ પોતાને કંઈ નુક્સાન કરી બેસે તો!” દાવિદ તેમને એકબીજા સાથે ગુસપુસ કરતા જોઇને સમજી ગયો કે બાળક મૃત્યુ પામ્યું છે. તેથી તેણે તેમને પૂછયું, “બાળક મરી ગયું?” તેમણે જવાબ આપ્યો, “હા, મરી ગયું.” દાવિદે જમીન પરથી ઊઠીને સ્નાન કર્યું, શરીરે અત્તર ચોળ્યું અને પોતાનાં વસ્ત્ર બદલ્યાં. પછી તેણે પ્રભુના ઘરમાં જઇને ભક્તિ કરી. તેણે મહેલમાં પાછા ફરીને ભોજન માગ્યું અને તેમણે પીરસ્યું એટલે તરત તે જમ્યો. તેના અધિકારીઓએ તેને કહ્યું, “આ તો અમારી સમજમાં આવતું નથી. બાળક જીવતું હતું ત્યારે તમે તેને માટે રડતા હતા અને ખાતા નહોતા. પણ તેના મૃત્યુ પછી તરત જ ઊઠીને જમ્યા?” દાવિદે જવાબ આપ્યો, “હા, તે જીવતું હતું ત્યારે હું ઉપવાસ અને શોક કરતો હતો. મેં માન્યું કે કદાચ પ્રભુ મારા પર કૃપાવંત થઈને બાળકને જીવતું રાખશે. પણ હવે તે મૃત્યુ પામ્યું છે તો પછી મારે શા માટે ઉપવાસ કરવો જોઈએ? શું હું તેને પાછું લાવી શકું તેમ છું? હું તેની પાસે જઈશ પણ તે મારી પાસે પાછું આવવાનું નથી.” પછી દાવિદે તેની પત્ની બાથશેબાને દિલાસો આપ્યો. તેણે તેની સાથે સમાગમ કર્યો અને તેને પુત્ર જન્મ્યો. દાવિદે તેનું નામ શલોમોન પાડયું. છોકરા પર પ્રભુનો પ્રેમ હતો. પ્રભુએ નાથાન સંદેશવાહક દ્વારા આપેલી સૂચના પ્રમાણે તેણે તેનું નામ યદીદયા, એટલે ‘યાહનો વહાલો’ પાડયું. પછી યોઆબે આમ્મોનના પાટનગર રાબ્બા પરની ચઢાઈ ચાલુ રાખી અને તે તેને જીતી લેવાની તૈયારીમાં હતો. તેણે દાવિદને અહેવાલ મોકલવા સંદેશકો મોકલ્યા: “મેં રાબ્બા પર હુમલો કરીને તેનો પાણી પુરવઠો કબજે કરી લીધો છે. હવે તમારાં બાકીનાં લશ્કરીદળોની જમાવટ કરીને તમે પોતે તેનો કબજો લઈ લો, નહિ તો, જો એ નગર હું સર કરીશ તો તે મારે નામે ઓળખાશે. તેથી દાવિદ પોતાનાં લશ્કરીદળોની જમાવટ કરીને રાબ્બા ગયો અને તેના પર ચઢાઈ કરીને તેને જીતી લીધું. આમ્મોનીઓના રાજાના માથા પરથી દાવિદે સુવર્ણમુગટ લઈ લીધો. તેનું વજન 35 કિલોગ્રામ જેટલું હતું અને તેમાં મૂલ્યવાન રત્ન હતું. દાવિદે તે મુગટ લઈને પોતાના માથા પર મૂક્યો. તેણે નગરમાં પુષ્કળ લૂંટ ચલાવી અને તે નગરના લોકોને બહાર લાવીને તેમની પાસે કરવતો, કોદાળીઓ, કુહાડીઓ વગેરેથી વેઠ કરાવી અને તેમને ઈંટવાડામાં થઈને ચલાવ્યા. આમ્મોનના સર્વ નગરોના લોકો પાસે પણ તેણે એવું કાર્ય કરાવ્યું. પછી તે અને તેના માણસો યરુશાલેમ પાછા ફર્યાં. દાવિદના પુત્ર આબ્શાલોમને તામાર નામે એક બહેન હતી. તે ખૂબ સુંદર હતી. દાવિદનો બીજો એક પુત્ર આમ્નોન તેના પ્રેમમાં પડયો. તે તેના પરના પ્રેમના વિરહમાં બીમાર પડી ગયો. તેને મેળવવી એ તેને અશક્ય લાગતું હતું. કારણ, તે કુંવારી હતી. પણ દાવિદના ભાઈ શામ્માનો પુત્ર યોનાદાબ આમ્નોનનો મિત્ર હતો. તે યુક્તિબાજ હતો. યોનાદાબે આમ્નોનને પૂછયું, “રાજકુંવર, તું રોજ રોજ સુક્તો કેમ જાય છે? મને કહે તો ખરો.” તેણે જવાબ આપ્યો, “હું મારા સાવકા ભાઈ આબ્શાલોમની બહેન તામારના પ્રેમમાં પડયો છું.” યોનાદાબે તેને કહ્યું, “બીમાર હોવાનો ઢોંગ કરીને સૂઈ જા. તારા પિતા તને મળવા આવે ત્યારે તેમને કહેજે, ‘મારી બહેન તામારને અહીં આવીને મને જમાડવાનું કહો. તેને હું અહીં મારે માટે ભોજન તૈયાર કરતી જોઉં અને પછી તે પોતે મને જમાડે એવું હું ઇચ્છું છું.” તેથી આમ્નોન બીમાર હોવાનો ઢોંગ કરીને સૂઈ ગયો. દાવિદ રાજા તેને મળવાને ગયો એટલે આમ્નોને તેને કહ્યું, “તામાર અહીં આવીને મારા દેખતાં મારે માટે બેએક પોળીઓ બનાવે અને પછી તે પોતે મને પીરસે એવું તેને જણાવો.” તેથી દાવિદે તામારને મહેલમાં સંદેશો મોકલ્યો, “આમ્નોનને ઘેર જઈને તેને માટે ભોજન તૈયાર કર.” તામાર પોતાના ભાઇ આમ્નોનને ત્યાં ગઈ તો તે પથારીમાં સૂતેલો હતો. તેણે થોડો લોટ ગૂંદીને તૈયાર કર્યો અને આમ્નોન જોઈ શકે તેમ તેણે થોડીક પોળીઓ બનાવી. અને તેને ખાવાને માટે તે તવામાંથી ઉતારી. પણ આમ્નોને તે ખાધી નહિ. તેણે કહ્યું, “બધાંને બહાર કાઢો” અને સૌ બહાર ગયા. પછી તેણે કહ્યું, “પોળીઓ અહીં મારા શયનગૃહમાં મારી પથારી પાસે લાવ અને તું પોતે પીરસ.” તામાર પોળીઓ લઈને તેની પાસે ગઈ. તે તેને આપવા ગઈ એટલે આમ્નોને તેને પકડી લઈને તેને કહ્યું, ‘બહેન, મારી સાથે સૂઈ જા.” તેણે કહ્યું, “ના, મારા ભાઈ, મારા પર બળાત્કાર ન કરીશ. ઇઝરાયલમાં આવું ન થવું જોઈએ. એ તો નિર્લજ્જ મૂર્ખતા છે. પછી હું જાહેરમાં શરમની મારી શું મોં બતાવું? તું પણ ઇઝરાયલમાં મૂર્ખ ગણાઈશ. મહેરબાની કરીને તું રાજાને કહે અને તે જરૂર મારી સાથે તારું લગ્ન કરાવશે.” પણ તેણે તેનું સાંભળ્યું નહિ અને તે તામાર કરતાં બળવાન હોવાથી તેણે તેના પર બળાત્કાર કર્યો. પછી આમ્નોનને તેના પર અત્યંત નફરત પેદા થઈ. તેણે તેના પર અગાઉ જેટલો પ્રેમ કર્યો હતો તેનાથી વિશેષ નફરત કરી. તેણે તેને કહ્યું, “ચાલી જા.” તેણે કહ્યું, “ના, ના, તારા આ દુષ્કૃત્ય કરતાં મને આમ મોકલી દેવી એ મોટો ગુનો છે.” પણ આમ્નોને તેનું સાંભળ્યું નહિ. તેણે તેની શુશ્રૂષા કરનાર જુવાન નોકરને બોલાવીને કહ્યું, “આ સ્ત્રીને મારી દૃષ્ટિ આગળથી દૂર કર. તેને બહાર ધકેલી દઈને બારણું બંધ કરી દે.” નોકરે તેને બહાર કાઢી મૂકીને બારણું બંધ કરી દીધું. તામારે લાંબી બાંયોવાળો લાંબો ઝભ્ભો પહેર્યો હતો. એ દિવસોમાં રાજાની કુંવારી છોકરીઓનો એ પહેરવેશ હતો. તેણે પોતાના માથા પર રાખ નાખી, પોતાનો ઝભ્ભો ફાડી નાખ્યો અને પોતાના હાથથી મોં ઢાંકીને રડતી રડતી જતી રહી. તેના ભાઈ આબ્શાલોમે તેને જોઈ ત્યારે તેણે તેને પૂછયું, “શું આમ્નોને તને સતાવી છે? બહેન, એથી બહુ દુ:ખી થઈશ નહિ. તે તારો સાવકો ભાઇ છે.” એમ તામાર આબ્શાલોમને ઘેર ત્યક્તા તરીકે ઉદાસ સ્થિતિમાં રહી. દાવિદ રાજાને એ બનાવની ખબર પડી ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠયો. પોતાની બહેન તામાર પર બળાત્કાર કર્યો હોવાથી આબ્શાલોમને પણ આમ્નોન પ્રત્યે એવો ધિક્કાર ઉત્પન્‍ન થયો કે તે તેની સાથે જરાપણ બોલતો પણ નહિ. બે વર્ષ પછી આબ્શાલોમ એફ્રાઈમ- નગર નજીક બઆલ હાસોરમાં ઊન કાતરનારાઓને બોલાવીને પોતાનો ઘેટાંનું ઊન ઉતારતો હતો. અને તેણે રાજાના બધા પુત્રોને ત્યાં આમંત્રણ આપ્યું. તેણે રાજાની પાસે જઈને કહ્યું, “રાજન, હું મારાં ઘેટાનું ઊન ઉતરાવી રહ્યો છું. તમે અને તમારા અધિકારીઓ મિજબાનીમાં પધારશો?” રાજાએ જવાબ આપ્યો, “ના દીકરા. અમે બધા આવીએ તો તારે માટે વધારે બોજારૂપ થઈશું. આબ્શોલેમે ખૂબ આગ્રહ કર્યો, તો પણ રાજા ગયો નહિ. પણ તેણે આબ્શાલોમને આશિષ આપી. પછી આબ્શાલોમે કહ્યું, “તો પછી, મારા ભાઈ આમ્નોનને તો આવવા દેશોને?” રાજાએ પૂછયું, “તેને આવવાની શી જરૂર છે?” પણ આબ્શાલોમે એટલો આગ્રહ સેવ્યો કે છેવટે દાવિદે આમ્નોન અને તેના બીજા બધા પુત્રોને આબ્શાલોમ સાથે જવા દીધા. આબ્શાલોમે મિજબાની તૈયાર કરી અને પોતાના નોકરને સૂચના આપી, “આમ્નોન બરાબર દારૂથી ચકચૂર થાય તેનું ધ્યાન રાખજો અને પછી હું હુકમ કરું ત્યારે તેને મારી નાખજો. ગભરાશો નહિ, છેવટે તો તમારે મારા હુકમ પ્રમાણે કરવાનું છે. હિંમત અને શૌર્ય દાખવજો.” એમ નોકરે આબ્શાલોમની સૂચનાઓ પ્રમાણે આમ્નોનને મારી નાખ્યો. દાવિદના બાકીના પુત્રો પોતપોતાના ખચ્ચર પર બેસીને ભાગી છૂટયા. તેઓ ઘેર જઈ રહ્યા હતા એવામાં દાવિદને ખબર મળી, “આબ્શાલોમે તમારા બધા પુત્રોને મારી નાખ્યા છે, એક પણ બાકી રહ્યો નથી.” ત્યારે રાજાએ ઊભા થઈને શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને તે જમીન પર ઊંધો પડયો. તેની સાથેના નોકરોએ પણ પોતાનાં વસ્ત્ર ફાડયાં. પણ દાવિદના ભાઈ શામ્માના પુત્ર યોનાદાબે કહ્યું, “નામદાર, તેમણે તમારા બધા જ પુત્રોને મારી નાખ્યા નથી. માત્ર આમ્નોન મરણ પામ્યો છે. આમ્નોને આબ્શાલોમની બહેન તામાર પર બળાત્કાર કર્યો ત્યારથી જ તેણે આમ કરવાનો નિર્ધાર કર્યો હતો. તેથી હે રાજા, મારા માલિક, તમારા બધા જ પુત્રો મારી નાખવામાં આવ્યા છે એવા સમાચાર માની લઈને દુ:ખી થશો નહિ. માત્ર આમ્નોનને જ મારી નાખવામાં આવ્યો છે.” દરમિયાનમાં આબ્શાલોમ નાસી છૂટયો. એવામાં જ સંત્રી તરીકે ફરજ બજાવતા સૈનિકે હેરોનાઇમથી આવવાને રસ્તે પર્વત પરથી મોટું ટોળું ઊતરી આવતું જોયું. તેણે જે જોયું તે જઈને રાજાને જણાવ્યું. યોનાદાબે દાવિદને કહ્યું, “મેં કહ્યું હતું તેમ એ તો તમારા પુત્રો જ આવી રહ્યા છે.” તે બોલી રહ્યો હતો એવામાં જ દાવિદના પુત્ર અંદર આવ્યા. તેઓ રડવા લાગ્યા અને દાવિદ અને તેના અધિકારીઓ પણ ખૂબ રડયા. આબ્શાલોમ નાસી છૂટયો અને ગેશૂરના રાજા આમ્મીહુદના પુત્ર તાલ્માય પાસે જતો રહ્યો અને ત્યાં ત્રણ વર્ષ રહ્યો. *** દાવિદે પોતાના પુત્ર આમ્નોનના મૃત્યુ પર લાંબો સમય શોક કર્યો. પણ આમ્મોનના મરણ વિષે દિલાસો પામ્યા પછી તે પોતાના પુત્ર આબ્શાલોમને માટે ઝૂરવા લાગ્યો. યોઆબે જોયું કે દાવિદ રાજાનું દિલ આબ્શાલોમ માટે ઝૂરે છે. તેથી તેણે તકોઆમાં રહેતી એક ચાલાક સ્ત્રીને બોલાવડાવી. તે આવી એટલે તેણે તેને કહ્યું, “તું શોકમગ્ન હોય તેવો દેખાવ કર. તારાં શોકનાં વસ્ત્ર પહેર અને અત્તર ચોળીશ નહિ. કોઈના મરણને લીધે લાંબા સમયથી શોકમાં હોય એવી સ્ત્રી જેવું વર્તન કરજે. પછી રાજા પાસે જઈને હું તને કહું તે પ્રમાણે જ તારે કહેવાનું છે. પછી તેણે શું કહેવું તે યોઆબે તેને કહ્યું. તકોઆ નગરની સ્ત્રી રાજા પાસે ગઈ અને ભૂમિ સુધી શિર નમાવીને નમન કરીને બોલી, “મહારાજા, મને બચાવો.” તેણે તેને પૂછયું, “શું છે?” તેણે જવાબ આપ્યો, “મહારાજા, હું એક વિધવા છું. મારા પતિ મરી ગયા છે. મારા માલિક, મારે બે દીકરા હતા. એક દિવસ તેઓ ખેતરમાં લડી પડયા અને ત્યાં તેમને છોડાવનાર કોઈ ન હતું એટલે એકે બીજાને મારી નાખ્યો. હવે મારા સર્વ સંબંધીઓ મારી વિરુદ્ધ થઈ ગયા છે અને મારી પાસેથી મારો છોકરો તેમને સોંપી દેવાની માગણી કરે છે. જેથી તેના ભાઈને મારી નાખવા બદલ તેઓ તેને મારી નાખે. તેમનો ઇરાદો એ રીતે એકમાત્ર વારસદારનું ખૂન કરવાનો છે. તેઓ એમ કરે તો હું પુત્રવિહોણી થઈ જઈશ. તેઓ મારી છેલ્લી આશાને નષ્ટ કરી દેશે અને પૃથ્વીના પટ પરથી મારા પતિને નિર્વંશ કરી દઈને તેમનું નામ મિટાવી દેશે.” રાજાએ જવાબ આપ્યો, “તારે ઘેર જા. હું તારે વિષે જરૂરી આદેશ આપીશ.” તેણે કહ્યું, “હે રાજા, મારા માલિક, તમે જે કરો તે ખરું, એનો દોષ મારા પર અને મારા કુટુંબ પર રહો. તમે અને તમારું રાજયાસન નિર્દોષ રહો.” રાજાએ જવાબ આપ્યો, “તને કોઈ ધાકધમકી આપે તો તેને મારી પાસે લાવજે અને એ તને ફરીથી પરેશાન કરશે નહિ.” તેણે કહ્યું, “હે રાજા, પ્રભુ તમારા ઈશ્વરને પ્રાર્થના કરો કે મારા પુત્રના મૃત્યુનો બદલો લેવા મારો જે નિકટનો સગો જવાબદાર છે તે મારા બીજા પુત્રને મારી નાખીને મોટો ગુન્હો ન આચરે.” દાવિદે જવાબ આપ્યો, “હું પ્રભુના જીવના સમ ખાઇને વચન આપું છું કે તારા પુત્રને કંઈ ઇજા થશે નહિ.” ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “હે રાજા, મારા માલિક, કૃપા કરીને મને એક વિશેષ વાત કહેવા દો.” તેણે જવાબ આપ્યો, “ભલે કહે.” તેણે તેમને કહ્યું, “તો પછી આપ, ઈશ્વરના લોકનું અહિત કેમ કરો છો? કારણ, પરદેશમાં ભાગી ગયેલા તમારા પુત્રને તમે પાછો બોલાવતા નથી. આમ, તમારા શબ્દો જ તમને દોષિત ઠરાવે છે. આપણે સૌએ એકવાર મરવાનું છે. જેમ જમીન પર ઢોળાઈ ગયેલું પાણી એકઠું કરી શક્તું નથી તેના જેવા આપણે છીએ. ઈશ્વર જીવ લેતા નથી, પણ એથી ઊલટું, તે દેશનિકાલ થયેલા માણસને પાછો લાવવાની યોજના કરે છે. હવે હે રાજા, મારા માલિક, આ તો લોકો મને ધમકી આપે છે એટલે તમે મારું સાંભળશો એવી આશાએ હું તમને આ વાત કહેવા આવી છું. મેં માન્યું હતું કે તમે મારું સાંભળશો અને મને તથા મારા પુત્રને મારી નાખવાનો પ્રયત્ન કરીને ઈશ્વરે પોતાના લોકોને વારસા તરીકે આપેલા દેશમાંથી અમારું નિકંદન કાઢનારાઓથી તમે અમને બચાવશો. મેં મારા મનમાં કહ્યું કે આપના અભયવચનથી મને જંપ વળશે. આપ નામદાર તો ભલુંભૂંડું પારખવામાં ઈશ્વરના દૂત જેવા છો. ઈશ્વર તમારા પ્રભુ તમારી સાથે રહો.” ત્યારે રાજાએ તે સ્ત્રીને જવાબ આપ્યો, “હું તને એક પ્રશ્ર્ન પૂછવા માગું છું. કંઈપણ છુપાવ્યા વિના સાચેસાચું બોલજે.” તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, પૂછો.” તેણે તેને પૂછયું, “શું યોઆબે તને આ બધું શીખવ્યું છે?” તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આપના જીવના સમ, આપના પ્રશ્ર્નનો જવાબ આપવાનું ટાળી શકાય તેમ નથી. આપના અધિકારી યોઆબની આજ્ઞાથી મેં આ બધું કર્યું છે અને તેમના કહ્યા પ્રમાણે જ બોલી છું. આ બનાવને એક નવો વળાંક આપવા માટે જ આપના સેવક યોઆબે આ કાર્ય કર્યું છે. હે રાજા, મારા માલિક, આપ તો ઈશ્વરના દૂત જેવા જ્ઞાની છો અને દેશમાં બનતું બધું જાણો છો.” તે પછીથી રાજાએ યોઆબને કહ્યું, “તારી ઇચ્છા મુજબ કરવાનો મેં નિર્ણય કર્યો છે; જા; જઈને યુવાન આબ્શાલોમને અહીં પાછો લઈ આવ.” યોઆબે દાવિદ સમક્ષ ભૂમિ સુધી નમન કરતા કહ્યું, “હે રાજા, મારા માલિક, ઈશ્વર તમને આશિષ આપો. તમે મારી માગણી માન્ય રાખી છે તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્‍ન થયા છો.” પછી તે ગેશૂર ગયો અને આબ્શાલોમને યરુશાલેમમાં પાછો લઈ આવ્યો. છતાં રાજાએ હુકમ કર્યો કે, “આબ્શાલોમે પોતાને ઘેર રહેવાનું છે, તેણે મારી સમક્ષ આવવાનું નથી.” તેથી આબ્શાલોમ પોતાના ઘરમાં રહ્યો અને રાજા સમક્ષ હાજર થયો નહિ. આબ્શાલોમ સૌંદર્યની બાબતમાં અત્યંત પ્રશંસનીય હતો, આખા ઇઝરાયલમાં તેના જેવો કોઈ સુંદર યુવાન નહોતો. માથાથી પગ સુધી તેનામાં કંઈ ખોડખાંપણ નહોતી. તેના વાળ ઘણા ભરાવદાર હતા. તે ઘણા વધી જતા અને તેનો ભાર લાગતા તેણે વર્ષમાં એકવાર વાળ કપાવવા પડતા હતા. રાજવી તોલમાપ પ્રમાણે તેનું વજન બે કિલોગ્રામથી વધારે થતું. આબ્શાલોમને ત્રણ પુત્રો અને તામાર નામે ખૂબ સુંદર પુત્રી હતી. આબ્શાલોમ યરુશાલેમમાં હતો, પણ પૂરાં બે વર્ષ સુધી તે રાજાની સમક્ષ જઈ શક્યો નહિ. પછી આબ્શાલોમે પોતાને રાજા પાસે લઈ જવા માટે યોઆબને બોલાવ્યો, પણ યોઆબ ગયો નહિ. આબ્શાલોમે તેને ફરીથી સંદેશો પાઠવ્યો, પણ યોઆબ ગયો નહિ. તેથી આબ્શાલોમે તેના નોકરોને કહ્યું, “યોઆબનું ખેતર મારા ખેતરની નજીક જ છે અને એમાં જવનો પાક થયો છે. જાઓ, તેમાં આગ ચાંપો.” તેથી તેમણે જઈને ખેતરમાં આગ લગાડી. યોઆબે આબ્શાલોમને ઘેર જઈને પૂછયું, “તારા નોકરોએ મારા ખેતરમાં આગ કેમ લગાડી?” આબ્શાલોમે જવાબ આપ્યો, “મેં તને બોલાવ્યો ત્યારે તું આવ્યો નહિ તેથી આગ લગાડી. મારી ઇચ્છા તો તું રાજા પાસે જઇને મારે માટે તેમને કહે એવી હતી, હું ગેશૂરથી અહીં શા માટે આવ્યો? એના કરતાં તો હું ત્યાં રહ્યો હોત તો સારું થાત.” વળી, આબ્શાલોમે કહ્યું, “તું મને રાજાની મુલાકાત ગોઠવી આપ એવી મારી ઇચ્છા હતી અને જો હું દોષિત હોઉં તો પછી ભલે તે મને મારી નાખે.” તેથી યોઆબે દાવિદ રાજા પાસે જઈને આબ્શાલોમે કહેલી વાત જણાવી. રાજાએ આબ્શાલોમને બોલાવ્યો એટલે તે ગયો અને ભૂમિ પર શિર ટેકવીને તેણે રાજાને પ્રણામ કર્યાં. રાજાએ તેને ચુંબન કરીને આવકાર્યો. તે પછી આબ્શાલોમે પોતાને માટે રથો, અને ઘોડા તથા પચાસ માણસોને અંગરક્ષકો તરીકે તૈયાર કર્યા. તે સવારે વહેલો ઊઠીને નગરના દરવાજાના રસ્તાની પાસે જઈને ઊભો રહેતો. જ્યારે કોઈ માણસ રાજા પાસે પોતાની તકરારના નિરાકરણ માટે આવતો ત્યારે આબ્શાલોમ તેને બોલાવીને તે ક્યાંનો છે તે પૂછતો. પછી પેલો માણસ પોતે કયા કુળનો છે એ જણાવતો. ત્યાર પછી તે માણસને આબ્શાલોમ કહેતો, “જો તારી ફરિયાદ સાચી તથા વાજબી છે, પણ તારો કેસ સાંભળવાને રાજા પાસે તારો કોઈ પ્રતિનિધિ નથી.” વળી, તે કહેતો, “હું ન્યાયાધીશ હોત તો કેવું સારું. ત્યારે તો કોઈ કંઈક તકરાર કે દાવા માટે આવે તો હું તેનો ન્યાય કરત.” જ્યારે એવો માણસ આબ્શાલોમને નમન કરવા તેની પાસે જતો ત્યારે આબ્શાલોમ આગળ વધીને તેને ભેટીને ચુંબન કરતો. રાજા પાસે ન્યાય મેળવવા માટે આવતા સર્વ ઇઝરાયલીઓ પ્રત્યે આબ્શાલોમ આવું જ વર્તન દાખવતો અને એમ તેણે તેમની નિષ્ઠા સંપાદન કરી. ચાર વર્ષ પછી આબ્શાલોમે દાવિદ રાજાને કહ્યું, “નામદાર, પ્રભુ આગળ માનેલી માનતા પૂરી કરવાને મને હેબ્રોન જવા દો. અરામના ગેશૂરમાં હું રહેતો હતો ત્યારે મેં પ્રભુની આગળ પ્રતિજ્ઞા કરી હતી કે જો તે મને પાછો યરુશાલેમમાં લાવશે તો હું હેબ્રોન જઈને પ્રભુની આરાધના કરીશ.” રાજાએ કહ્યું, “શાંતિથી જા.” તેથી આબ્શાલોમ હેબ્રોન ગયો. પણ, તેણે ઇઝરાયલનાં સર્વ કુળોને સંદેશકો મારફતે આવો સંદેશો પાઠવ્યો: તમે રણશિંગડાનો નાદ સાંભળો ત્યારે આવો પોકાર પાડજો: “હેબ્રોનમાં આબ્શાલોમ રાજા બન્યો છે.” આબ્શાલોમના આમંત્રણથી યરુશાલેમથી તેની સાથે 200 માણસ આવેલા હતા. તેમને આ કાવતરાની કંઈ ખબર નહોતી અને બધા નિખાલસ ભાવે ગયા હતા. આબ્શાલોમ અર્પણ ચઢાવી રહ્યો હતો તે વખતે તેણે દાવિદ રાજાના એક સલાહકાર અહિથોફેલને ગિલો નગરથી બોલાવ્યો. રાજા વિરુદ્ધના વિદ્રોહે જોર પકડયું અને આબ્શાલોમના પક્ષકારો વધતા ગયા. એક સંદેશકે દાવિદને અહેવાલ આપ્યો. “ઇઝરાયલી લોકોના હૃદયનું વલણ આબ્શાલોમ તરફનું થયું છે.” તેથી દાવિદે પોતાની સાથેના યરુશાલેમમાંના અધિકારીઓને કહ્યું, “આબ્શાલોમથી બચવું હોય તો આપણે તાત્કાલિક નાસી છૂટવું જોઈએ. ઉતાવળ કરો, નહિ તો તે અહીં જલદી આવી પહોંચશે અને આપણને હરાવીને નગરમાં સૌને મારી નાખશે.” તેમણે જવાબ આપ્યો, “હે રાજા, અમારા માલિક, અમે તો આપને યોગ્ય લાગે તે કરવા તૈયાર છીએ.” તેથી રાજા પોતાના કુટુંબ તથા અધિકારીઓ સાથે ચાલી નીકળ્યો. માત્ર રાજમહેલની દેખરેખ રાખવા તેણે દસ ઉપપત્નીઓ રહેવા દીધી. રાજા અને તેના સર્વ માણસો નગર છોડી જઈ રહ્યા હતા ત્યારે તેઓ છેલ્લા મકાન આગળ થોભ્યા. દાવિદની આગળ રાજદ્વારી સંરક્ષકો પસાર થઈ રહ્યા હતા. વળી, ગાથમાંથી દાવિદ રાજા સાથે આવેલા કરેથીઓ અને પેલેથીઓના છસો સૈનિકો પણ પસાર થયા. રાજાએ તેમના આગેવાન ઇતાઇ ગિત્તીને કહ્યું, “તું અમારી સાથે શા માટે આવે છે? પાછો જા અને નવા રાજા સાથે રહે. તું તો પરદેશી છે અને પોતાના દેશથી દૂર નિરાશ્રિત છે. અહીં આવ્યાને તને થોડો જ સમય થયો છે. હું ક્યાં જઈ રહ્યો છું તેની મને ખબર નથી. તેથી મારે તને તારી સાથે ક્યાં રખડાવવો? પાછો જા અને મારી સાથે તારા જાતભાઇઓને લઈ જા. પ્રભુ તારા પ્રત્યે માયાળુ અને વિશ્વાસુ બનો.” પણ ઇતાઇએ જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, હું પ્રભુના અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે તમે જ્યાં જશો ત્યાં હું આવીશ. પછી ભલેને મરણ આવે.” દાવિદે જવાબ આપ્યો, “ભલે. આગેકૂચ કરો.” તેથી ઇતાઇ તેના સર્વ માણસો અને તેના પરિવારને લઇને ચાલ્યો. દાવિદના પક્ષકારો ચાલ્યા જતા હતા ત્યારે સર્વ લોકો પોક મૂકીને રડયા. રાજા અને તેના માણસોએ કિદ્રોનનું નાળું ઓળંગ્યું અને તેઓ સૌ વેરાનપ્રદેશ તરફ ગયા. સાદોક યજ્ઞકાર સાથે હતો અને તેની સાથે પવિત્ર કરારપેટી ઊંચકનારા લેવીઓ હતા. તેમણે કરારપેટી નીચે મૂકી અને સર્વ લોકો નગરમાંથી નીકળી ગયા ત્યાં સુધી તેમણે તે ઉઠાવી નહિ. યજ્ઞકાર અબ્યાથાર પણ ત્યાં હતો. પછી રાજાએ સાદોકને કહ્યું, “કરારપેટી પાછી નગરમાં લઈ જા. પ્રભુની મારા પર રહેમનજર થશે તો કોઈક દિવસે એ મને જોવા મળશે અને જ્યાં એ રાખવામાં આવે છે ત્યાં પ્રભુ મને લઈ જશે. પણ જો પ્રભુ મારા પર પ્રસન્‍ન ન થાય, તો પછી પ્રભુ તેમની ઇચ્છા પ્રમાણે કરે.” વળી, તેણે સાદોકને કહ્યું, “જો, તું તો દૃષ્ટા છે, તેથી તું તારા પુત્ર અહિમાસને અને અબ્યાથારના પુત્ર યોનાથાનને લઈને નગરમાં શાંતિએ પાછો જા. દરમિયાનમાં મને તારા તરફથી સમાચાર મળે ત્યાં સુધી વેરાનપ્રદેશ તરફ જવાના નદીના ઘાટે હું થોભીશ.” તેથી સાદોક અને અબ્યાથાર ઈશ્વરની કરારપેટી પાછી યરુશાલેમમાં લઈ ગયા અને તેઓ ત્યાં જ રહ્યા. દાવિદ રડતો રડતો ઓલિવ પર્વત પર ચઢતો હતો. તે ઉઘાડે પગે હતો અને શોક દર્શાવવા તેણે પોતાનું માથું ઢાંકાયું હતું. તેની પાછળ જતા સર્વ લોકોએ પણ તેમનાં માથાં ઢાંક્યાં હતાં અને તેઓ રડતા રડતા પર્વત પર ચઢતા હતા. દાવિદને ખબર મળી કે અહિથોફેલ આબ્શાલોમ સાથે બળવામાં જોડાયો છે ત્યારે તેણે પ્રાર્થના કરી, “હે પ્રભુ, અહિથોફેલની સલાહ નિરર્થક કરી નાખો.” દાવિદ પર્વતની ટોચ પર પહોંચ્યો ત્યારે ભક્તિસ્થાન પાસે તેને તેનો મિત્ર હુશાય આર્કી મળ્યો. તેનાં વસ્ત્ર ફાડી નાંખેલા અને માથા પર ધૂળ હતી. દાવિદે તેને કહ્યું, “તું મારી સાથે આવીને મને કંઈ મદદ કરી શકશે નહિ. એના કરતાં નગરમાં પાછો જઈને આબ્શાલોમને કહે કે મેં જેમ વિશ્વાસુપણે તારા પિતાની સેવા કરી હતી તેમ તારી સેવા પણ કરીશ અને એમ તું મને મદદ કરી શકીશ અને ત્યાં તું મારે માટે અહિથોફેલની સલાહ નિષ્ફળ કરી શકીશ. સાદોક અને આબ્યાથાર યજ્ઞકારો પણ ત્યાં છે, તને રાજમહેલમાંથી સાંભળવા મળેલું બધું તેમને કહેજે. સાદોકનો પુત્ર અહિમાસ અને અબ્યાથારનો પુત્ર યોનાથાન પણ ત્યાં તેમની સાથે છે. તને મળેલી માહિતી તેમના દ્વારા મને મોકલજે.” તેથી આબ્શાલોમ યરુશાલેમમાં આવી પહોંચ્યો ત્યારે દાવિદનો મિત્ર હુશાય શહેરમાં પાછો આવ્યો. દાવિદ પર્વતના શિખરની પેલી તરફ ઊતરતો હતો ત્યારે તેને મફીબોશેથના નોકર સીબાનો ભેટો થઈ ગયો. સીબા પાસે કેટલાંક ગધેડાં હતાં. તેમના પર બસો રોટલીઓ, સૂકી દ્રાક્ષની સો એક લૂમો, સો એક તાજાં ફળની અને દ્રાક્ષાસવ ભરેલી ચામડાની મશક લાદેલાં હતાં. દાવિદ રાજાએ તેને પૂછયું, “આ બધું તું શા માટે લાવ્યો છે?” સીબાએ જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આ ગધેડાં આપના કુટુંબીજનોને બેસવા માટે છે, રોટલી અને ફળો સૈનિકોને જમવા માટે છે અને દ્રાક્ષાસવ વેરાનપ્રદેશમાં થાકી જનારાંને પીવા માટે છે.” રાજાએ પૂછયું, “તારા માલિકનો પૌત્ર મફીબોશેથ ક્યાં છે?” સીબાએ જવાબ આપ્યો, “તે યરુશાલેમમાં જ રહ્યો છે. કારણ, હવે ઇઝરાયલીઓ તેના દાદા શાઉલનું રાજ્ય તેને પાછું સોંપશે એવી તેને ખાતરી થઈ છે.” રાજાએ સીબાને કહ્યું, “મફીબોશેથનું જે કંઈ હોય તે તારું છે.” સીબાએ જવાબ આપ્યો, “હું તો આપનો સેવક છું. હે રાજા, મારા માલિક, આપ મારાથી સદા પ્રસન્‍ન રહો.” દાવિદ રાજા બાહુરીમમાં આવી પહોંચ્યો ત્યારે શાઉલનો એક સંબંધી ગેરાનો પુત્ર શિમઈ શાપ દેતો દેતો તેને મળવા બહાર નીકળી આવ્યો. દાવિદની આસપાસ તેના સૈનિકો અને તેના અંગરક્ષકો હોવા છતાં શિમઈએ દાવિદ અને તેના અધિકારીઓ ઉપર પથ્થરો ફેંકવા માંડયા. શિમઈ શાપ દેતાં કહેવા લાગ્યો, “હે ખૂની અને નકામા માણસ, જા, અહીંથી જતો રહે. તેં શાઉલનું રાજ પચાવી પાડયું. હવે શાઉલના કુટુંબના ઘણા બધાનું ખૂન કરવા બદલ પ્રભુ તને શિક્ષા કરી રહ્યા છે. પ્રભુએ તારા પુત્ર આબ્શાલોમને રાજ આપ્યું છે. તું તારી દુષ્ટતામાં જ સપડાયો છે. કારણ, તું ખૂની છે.” અબિશાયે રાજાને કહ્યું, “હે રાજા, મારા માલિક, તમે આ કૂતરાને શાપ કેમ દેવા દો છો? મને ત્યાં જઈને તેનું મસ્તક ઉડાવી દેવા દો.” રાજાએ સરુયાના પુત્રો એટલે, અબિશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “એ તમારું કામ નથી. જો તે પ્રભુના કહ્યા પ્રમાણે શાપ આપતો હોય તો આપણને પૂછવાનો શો અધિકાર?” અને દાવિદે અબિશાય અને તેના સર્વ અધિકારીઓને કહ્યું, “મારો પોતાનો પુત્ર મને મારી નાખવાનો પ્રયાસ કરે છે, તો પછી આ એક બિન્યામીની માણસ એવું કરે એમાં શી નવાઈ? પ્રભુએ તેને શાપ દેવાનું કહ્યું છે, માટે એને જવા દો અને શાપ આપવા દો. કદાચ, પ્રભુ મારું દુ:ખ જોશે અને તેના શાપને બદલે મને કંઈક આશિષ આપશે.” તેથી દાવિદ અને તેના માણસો માર્ગે આગળ વયા. શિમઈ તેમની સાથે સાથે સામેના પર્વતના ઢોળાવ પર ચાલતો હતો. જતાં જતાં તે તેમને શાપ દેતો અને તેમના પર પથ્થર અને ધૂળ ફેંક્તો હતો. રાજા અને તેના માણસો યર્દન નદી પાસે પહોંચ્યા ત્યારે થાકીને લોથ થઈ ગયા હતા એટલે ત્યાં તેમણે આરામ કર્યો. આબ્શાલોમ અને તેની સાથેના સર્વ ઇઝરાયલીઓ યરુશાલેમમાં પ્રવેશ્યા. અહિથોફેલ પણ તેમની સાથે હતો. દાવિદના મિત્ર હુશાયે આબ્શાલોમને મળતાં પોકાર કર્યો, “રાજા ઘણું જીવો, રાજા ઘણું જીવો.” આબ્શાલોમે તેને પૂછયું, “તારા મિત્ર દાવિદ પ્રત્યેની તારી આટલી વફાદારી છે? તું તેની સાથે કેમ ન ગયો?” હુશાયે જવાબ આપ્યો, “હું કેવી રીતે જાઉં? હું તો પ્રભુ, આ લોકો અને સર્વ ઇઝરાયલીઓએ પસંદ કરેલા માણસના પક્ષમાં છું. હું તમારી સાથે રહીશ. આમેય હું મારા માલિકના પુત્રની સેવા ન કરું તો બીજા કોની કરું? જેમ મેં તમારા પિતાની સેવા કરી તેમ હવે તમારી સેવા કરીશ.” પછી આબ્શાલોમે અહિથોફેલ તરફ ફરીને પૂછયું, “હવે આપણે અહીં શું કરવું એ વિષે તું શી સલાહ આપે છે?” અહિથોફેલે જવાબ આપ્યો, “તમારા પિતાએ મહેલની સંભાળ રાખવા અહીં રાખેલી ઉપપત્નીઓ સાથે તમે સમાગમ કરો. પછી ઇઝરાયલમાં સૌ જાણશે કે તમે તમારા પિતાના પાકા દુશ્મન બન્યા છો ત્યારે તમારા પક્ષના માણસોને ઘણું ઉત્તેજન મળશે.” તેથી તેમણે મહેલના ધાબા પર આબ્શાલોમને માટે એક તંબૂ ઊભો કર્યો અને સર્વ ઇઝરાયલીઓની સમક્ષ આબ્શાલોમે તંબૂમાં જઈને તેના પિતાની ઉપપત્નીઓ સાથે સમાગમ કર્યો. એ દિવસોમાં અહિથોફેલની સલાહ જાણે કે ઈશ્વરીય વાણી હોય એવી કીમતી ગણાતી. દાવિદ અને આબ્શાલોમ બન્‍ને એની સલાહને અનુસરતા. થોડા જ સમય પછી અહિથોફેલે આબ્શાલોમને કહ્યું, “મને બાર હજાર માણસો ચૂંટી કાઢવા દો અને આજે રાત્રે હું દાવિદનો પીછો પકડીશ. તે થાકેલો અને હતાશ છે ત્યારે હું તેના પર હુમલો કરીશ. તે ગભરાઈ જશે અને તેના સર્વ માણસો નાસી જશે. હું માત્ર રાજાને જ મારી નાખીશ. પછી રિસાયેલી નવવધૂ જેમ પોતાના પતિ પાસે પાછી ફરે તેમ હું તેના સર્વ લોકને તારી પાસે લાવીશ. તમે એક જ માણસને મારવા માગો છો ને? બાકીના લોકો તો સલામત રહેશે.” આબ્શાલોમ અને સર્વ ઇઝરાયલી આગેવાનોને એ સલાહ સારી લાગી. આબ્શાલોમે કહ્યું, “હવે હુશાયને બોલાવો. અને તેનું શું કહેવું છે તે પણ સાંભળીએ.” હુશાય આવ્યો એટલે આબ્શાલોમે તેને કહ્યું, “અહિથોફેલે આવી સલાહ આપી છે, આપણે એ સલાહ માનવી કે નહિ? જો ના, તો અમારે શું કરવું તે તું કહે.” હુશાયે જવાબ આપ્યો, “આ વખતે અહિથોફેલે આપેલી સલાહ બરાબર નથી. તું જાણે છે કે તારા પિતા દાવિદ અને તેના માણસો શૂરવીર લડવૈયા છે અને જેનાં બચ્ચાં છીનવી લેવાયાં હોય એવી રીંછણ જેવા ઝનૂની છે. તારા પિતા યુદ્ધમાં નિપુણ છે અને રાત્રે પોતાના માણસો સાથે રહેતા નહિ હોય. અત્યારે કદાચ તે કોઈ ગુફા કે બીજી કોઇ જગ્યાએ સંતાયા હશે. દાવિદના પ્રથમ હુમલા વખતે કેટલાક માણસો માર્યા જશે ત્યારે તે સાંભળનારા કહેશે, ‘આબ્શાલોમના માણસોની ભારે ક્તલ થઈ છે.’ ત્યારે સિંહના જેવા નિર્ભય અને શૂરવીર માણસો પણ ભયથી થથરી જશે. કારણ, ઇઝરાયલમાં સૌ કોઈ જાણે છે કે તમારા પિતા શૂરવીર સૈનિક છે. અને તેમના માણસો શૂરવીર લડવૈયા છે. મારી સલાહ એવી છે કે દાનથી બેરશેબા સુધી એટલે સમગ્ર દેશમાંથી સમુદ્ર કિનારાની રેતીના કણ જેટલા સર્વ ઇઝરાયલીઓને તમે એકઠા કરો અને તમે પોતે તેમને લડાઈમાં આગેવાની આપો. પછી તો દાવિદ જ્યાં હોય ત્યાંથી આપણે તેને શોધી કાઢીશું અને ઝાકળ જમીન પર પડે તેમ તેમના પર વ્યાપક અને ઓચિંતો હુમલો કરીશું. તે અથવા તેના માણસોમાંનો કોઈ બચવા પામશે નહિ. જો તે કોઇ નગરમાં ધૂસી જશે તો આપણા લોકો દોરડાં લાવીને એ નગરને જ નદીની ખીણમાં ખેંચી પાડશે. પર્વત પર વસેલા શહેરનો એક પથ્થર પણ રહેવા દેવાશે નહિ.” આબ્શાલોમ અને સર્વ ઈઝરાયલીઓએ કહ્યું, “અહિથોફેલ કરતાં હુશાય આર્કીની સલાહ વધારે સારી છે.” અહિથોફેલની સલાહ નિરર્થક જાય અને આબ્શાલોમ પર વિનાશ આવે એવું પ્રભુએ નક્કી કર્યું હતું. પછી હુશાયે આબ્શાલોમ અને ઇઝરાયલી આગેવાનોને આપેલી પોતાની સલાહ અને અહિથોફેલની સલાહ વિષે યજ્ઞકારો સાદોક અને અબ્યાથારને જણાવ્યું. વળી, હુશાયે તેમને કહ્યું, “તો હવે દાવિદને સત્વરે સંદેશો મોકલો કે તે વેરાનપ્રદેશમાં જવાના નદીના ઘાટે આજની રાત ગાળે નહિ, પણ તરત જ યર્દન નદી પાર ઊતરી જાય; જેથી તે અને તેના માણસો પકડાઈને માર્યા જાય નહિ.” અબ્યાથારનો પુત્ર યોનાથાન અને સાદોકનો પુત્ર અહિમાસ યરુશાલેમના સીમાડે એનરોગેલ ઝરા પાસે છુપાઈ રહેતા હતા. જે કંઈ બની રહ્યું હોય તે વિષે એક દાસી નિયમિત રીતે જઈને તેમને જણાવતી. પછી તેઓ જઈને તે દાવિદ રાજાને જણાવતા. કારણ, તેઓ શહેરમાં પ્રવેશીને લોકોની નજરે પડવા માંગતા નહોતા. પણ એક દિવસે એક છોકરો તેમને જોઈ ગયો એટલે તેણે જઈને આબ્શાલોમને આ વાત કરી. તેથી તેઓ ત્યાંથી નીકળી ગયા અને બાહુરીમમાં એક માણસને ત્યાં સંતાયા. એ માણસના ઘર પાસે એક કૂવો હતો. તેઓ એ કૂવામાં ઊતરી ગયા. પેલા માણસની પત્નીએ એક ઢાંકણું લઈને તેને કૂવા પર ઢાંકી દીધું અને તેની પર અનાજ પાથર્યું. જેથી કોઈને કશી ખબર પડે નહિ. આબ્શાલોમના અધિકારીઓએ એ ઘેર આવીને પેલી સ્ત્રીને પૂછયું, “અહિમાસ અને યોનાથાન ક્યાં છે?” તેણે જવાબ આપ્યો, “તેઓ યર્દન નદી પાર જતા રહ્યા.” પેલા માણસોએ શોધ કરી પણ તેઓ મળ્યા નહિ, એટલે તેઓ પાછા યરુશાલેમ ગયા. તેમના ગયા પછી અહિમાસ અને યોનાથાન કૂવાની બહાર આવ્યા અને જઈને દાવિદને ખબર આપી. અહિથોફેલે તેના વિરુદ્ધ કેવી સલાહ આપી હતી તે પણ જણાવતા કહ્યું, “ઉતાવળ કરીને યર્દન નદીની પાર ઊતરી જાઓ.” તેથી દાવિદ અને તેના માણસોએ યર્દન નદી ઓળંગવા માંડી અને સવાર થતામાં તેઓ બધા નદી પાર ઊતરી ગયા. અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો. આબ્શાલોમ અને ઇઝરાયલીઓ યર્દન નદી પાર ઉતર્યા ત્યાં સુધીમાં તો દાવિદ માહનાઇમ નગરમાં જઈ પહોંચ્યો. આબ્શાલોમે લશ્કરના સેનાપતિ તરીકે યોઆબની જગ્યાએ અમાસાને નીમ્યો હતો. અમાસા ઈઝરાયલી યિથ્રાનો પુત્ર હતો. તેની માતા અબિગાઈલ નાહાશની પુત્રી અને યોઆબની માતા સરુયાની બહેન હતી. આબ્શાલોમ અને તેના માણસોએ ગિલ્યાદના મેદાનમાં છાવણી કરી હતી. દાવિદ માહનાઇમમાં આવ્યો ત્યારે તેને આમ્મોનના રાબ્બા શહેરના નાહાશનો પુત્ર શોબી, લો-દબાર શહેરના આમ્મીએલનો પુત્ર માખીર અને ગિલ્યાદમાંના રોગલીમ શહેરમાંથી આવેલ બાર્ઝિલાય મળ્યા. તેઓ વાસણો, માટલાં અને પથારીઓ લાવ્યા અને દાવિદના માણસોને ખાવાને માટે ઘઉં, જવ, લોટ, પોંક, પાપડી, મસુર, શેકેલા વટાણા, મધ, માખણ, પનીર અને કેટલાંક ઘેટાં લાવ્યાં. કારણ, તેઓ જાણતા હતા કે દાવિદ અને તેના માણસો વેરાનમાં ભૂખ્યાતરસ્યા અને થાક્યાપાક્યા છે. દાવિદ રાજાએ પોતાના સર્વ માણસોની ગણતરી કરી અને તેમને હજાર હજારની અને સો સોની ટુકડીઓમાં વહેંચી નાખ્યા અને તેમના પર અધિકારીઓ નીમ્યા. તેમણે તેમને ત્રણ જૂથમાં વહેંચી નાખ્યા અને યોઆબ, યોઆબનો ભાઈ અબિશાય અને ગાથમાંથી આવેલ ઇતાયના હસ્તક એક એક જૂથ રાખ્યું. રાજાએ કહ્યું, “હું પોતે પણ તમારી સાથે આવીશ.” તેમણે જવાબ આપ્યો, “તમે અમારી સાથે ન આવશો. અમારામાંના બાકી રહેલાઓ પાછા ફરીને નાસી જાય અથવા અમારામાંના અડધા મરી જાય તો શત્રુને એની પરવા નહિ હોય. પણ અમારે મન તો તમે અમારામાંના દસ હજારથીય વિશેષ છો. તમે અહીં નગરમાં રહીને અમને મદદ મોકલો એ ઉચિત થશે.” રાજાએ જવાબ આપ્યો, “તમને જે યોગ્ય લાગતું હોય તે પ્રમાણે હું કરીશ.” પછી તેના માણસો હજાર હજાર અને સો સોની ટુકડીઓમાં કૂચ કરી બહાર નીકળ્યા ત્યારે તે દરવાજા પાસે ઊભો હતો. તેણે યોઆબ, અબિશાય અને ઇતાયને હુકમ આપ્યો, “મારે લીધે તમે જુવાન આબ્શાલોમને કંઈ હાનિ પહોંચાડશો નહિ.” દાવિદે તેના સેનાધિકારીઓને આપેલો એ આદેશ સર્વ લશ્કરી ટુકડીઓએ સાંભળ્યો. દાવિદનું લશ્કર રણક્ષેત્રમાં ગયું અને તેમણે એફ્રાઈમના જંગલમાં ઇઝરાયલીઓ સાથે યુદ્ધ કર્યું. દાવિદના માણસોએ ઇઝરાયલીઓને હરાવ્યા. એ તો ભયંકર હાર હતી. એ દિવસે વીસ હજાર માણસોનો ખુરદો બોલી ગયો. યુદ્ધ સમગ્ર દેશમાં ફેલાઈ ગયું અને યુદ્ધમાં માર્યા ગયેલા કરતાં જંગલમાં ભક્ષ થઈ ગયેલા વધારે હતા. પછી દાવિદના માણસોને અચાનક આબ્શાલોમનો ભેટો થઈ ગયો. આબ્શાલોમ ખચ્ચર પર બેઠો હતો. ખચ્ચર એક મોટા મસ્તગી વૃક્ષ તળેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આબ્શાલોમનું માથું ડાળીઓમાં ભરાઈ ગયું. ખચ્ચર આગળ ચાલ્યું ગયું અને આબ્શાલોમ આકાશ અને પૃથ્વી વચ્ચે અધર લટકી રહ્યો. દાવિદના એક માણસે તે જોઈને યોઆબને ખબર આપી, “સાહેબ, મેં આબ્શાલોમને મસ્તગી વૃક્ષ પર લટકેલો જોયો હતો.” યોઆબે જવાબ આપ્યો, “તેં તેને જોયો ત્યારે તેં તેને ત્યાં જ કેમ મારી ન નાખ્યો? મેં પોતે જ તને ચાંદીના દસ સિક્કા અને કમરપટ્ટો આપ્યાં હોત.” પણ પેલા માણસે જવાબ આપ્યો, “તમે મને ચાંદીના હજાર સિક્કા આપો તો પણ હું રાજાના પુત્ર પર મારો હાથ ન ઉપાડું. ‘મારે લીધે તમે યુવાન આબ્શાલોમને કંઈ ઇજા ન કરશો.’ એવો તમને, અબિશાયને અને ઇતાયને રાજાએ આપેલો હુકમ અમે સૌએ સાંભળ્યો હતો. જો મેં રાજાની આજ્ઞાનો ભંગ કરીને આબ્શાલોમને મારી નાખ્યો હોત તો રાજાને એની ખબર પડી જાત અને તમે મારો બચાવ કર્યો ન હોત. (રાજાને તો બધી ખબર પડે જ છે.)” યોઆબે કહ્યું, “હું તારી સાથે મારો વધારે સમય બગાડવા માગતો નથી.” તેણે ત્રણ ભાલા લીધા અને મસ્તગી વૃક્ષ પર લટકી રહેલો આબ્શાલોમ હજુ તો તે જીવતો હતો ત્યારે જ તેના હૃદયમાં ભોંકી દીધા. પછી યોઆબના દસ સૈનિકો આબ્શાલોમને ઘેરી વળ્યા અને તેને મારીને પૂરો કર્યો. યોઆબે લડાઈ બંધ કરવા રણશિંગડું વગાડવા માટે આજ્ઞા કરી અને તેની ટુકડીઓ ઇઝરાયલીઓનો પીછો કરવામાંથી પાછી ફરી. તેમણે આબ્શાલોમનું શબ લઈને જંગલમાં એક ઊંડા ખાડામાં ફેંકી દીધું અને તેના પર પથ્થરોનો ઢગલો કરી દીધો. પછી સર્વ ઇઝરાયલીઓ છાવણીમાં પોતપોતાના તંબૂએ પાછા ફર્યા. આબ્શાલોમે પોતાના જીવનકાળ દરમ્યાન રાજાની ખીણમાં પોતાને માટે એક સ્મરણસ્તંભ ઊભો કર્યો હતો. કારણ, તેનું નામ ચાલુ રાખવા માટે તેને પુત્ર નહોતો. તેથી તેણે પોતાના નામ પરથી એનું નામ પાડયું હતું અને આજે પણ તે આબ્શાલોમના સ્મરણસ્તંભ તરીકે ઓળખાય છે. પછી સાદોકના પુત્ર અહિમાસે યોઆબને કહ્યું, “મને રાજા પાસે દોડી જઈને આ શુભ સમાચાર જણાવવા દો કે પ્રભુએ તમારા શત્રુઓ પર વેર વાળ્યું છે અને તેનાથી તમને છોડાવ્યા છે.” યોઆબે કહ્યું, “ના. તું આજે શુભ સમાચાર લઈ જઈશ નહિ. બીજે કોઈક દિવસે તું એમ કરજે, પણ આજે નહિ; કેમ કે રાજાનો પુત્ર મરણ પામ્યો છે.” પછી તેણે તેના કૂશી ગુલામને કહ્યું, “જા, તેં જે જોયું છે તે જઈને રાજાને જણાવ.” ત્યારે ગુલામે તેને નમન કર્યું અને પછી દોડીને ગયો. સાદોકના પુત્ર અહિમાસે આગ્રહ કર્યો, “જે થવાનું હોય તે થાય મને એની પરવા નથી. મહેરબાની કરીને મને પણ સમાચાર કહેવા જવા દો.” યોઆબે પૂછયું, “દીકરા, તું શા માટે જવા માગે છે? એને બદલે તને કોઈ ઇનામ મળવાનું નથી.” અહિમાસે કહ્યું, “થવાનું હોય તે થાય. મારે જવું છે.” યોઆબે કહ્યું, “તો જા.” તેથી અહિમાસ યર્દન નદીની ખીણમાં થઈને દોડયો અને કૂશી ગુલામની આગળ થઈ ગયો. દાવિદ શહેરના અંદરના અને બહારના દરવાજાની વચ્ચેની જગ્યાએ બેઠો હતો. ચોકીદાર કોટની ટોચે ગયો અને દરવાજાના ધાબા પર બેઠો. તેણે બહાર જોયું તો એક માણસને દોડતો આવતો જોયો. તેણે નીચે બૂમ પાડીને રાજાને વાત કરી. રાજાએ કહ્યું, “જો તે એકલો હોય તો તે શુભ સમાચાર લઈને આવતો હશે.” દોડનાર નજીકને નજીક આવતો ગયો. પછી ચોકીદારે બીજા માણસને એકલો દોડતો આવતો જોયો અને તેણે નીચે બૂમ પાડીને દરવાનને બોલાવ્યો, “જો બીજો એક માણસ દોડતો આવે છે.” રાજાએ કહ્યું, “એ પણ શુભ સમાચાર લઈને આવતો હશે.” પ્રથમ માણસની દોડ અહિમાસની દોડ જેવી લાગે છે. રાજાએ કહ્યું, “તે સારો માણસ છે અને તે શુભ સમાચાર લાવે છે.” અહિમાસે રાજાને પોકાર કર્યો, “બધું સલામત છે.” પછી તેની આગળ ભૂમિ પર શિર ટેકવીને નમન કરતાં કહ્યું, “હે રાજા, મારા માલિક, તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ હો. તમારી સામે બળવો કરનાર માણસને તેમણે તમારા હાથમાં સોંપી દીધો છે.” રાજાએ પૂછયું, “યુવાન આબ્શાલોમ સહીસલામત છે?” અહિમાસે જવાબ આપ્યો, “સાહેબ, તમારા સેનાપતિ યોઆબે મને મોકલ્યો ત્યારે મેં ભારે રમખાણ મચેલું જોયેલું, પણ શું બન્યું તે હું જાણતો નથી.” રાજાએ કહ્યું, “ત્યાં એક બાજુએ ઊભો રહે.” એટલે તે જઈને બાજુ પર ઊભો રહ્યો. પછી કુશી ગુલામ આવી પહોંચ્યો અને તેણે રાજાને કહ્યું, “હે રાજા, મારા માલિક, હું આપને માટે શુભ સમાચાર લાવ્યો છું. આજે પ્રભુએ તમને તમારી વિરુદ્ધ બળવો કરનારાઓના હાથથી છોડાવ્યા છે.” રાજાએ પૂછયું, “યુવાન આબ્શાલોમ સહીસલામત છે?” કૂશી ગુલામે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, યુવાનના જેવા તમારા સર્વ શત્રુઓના અને તમારી વિરુદ્ધ બળવો પોકારનારના હાલ થાઓ.” દાવિદ અત્યંત દુ:ખી થઈ ગયો. દરવાજા પરની ઓરડીમાં જઈને તે રડયો. જતાં જતાં તે બોલતો ગયો. “ઓ મારા પુત્ર, મારા પુત્ર આબ્શાલોમ! આબ્શાલોમ, મારા પુત્ર! મારા પુત્ર તારે બદલે હું મૃત્યુ પામ્યો હોત તો કેવું સારું થાત. આબ્શાલોમ, મારા પુત્ર.” યોઆબને ખબર મળી કે દાવિદ રાજા આબ્શાલોમ માટે રુદન અને શોક કરે છે. તેથી એ દિવસે દાવિદની સર્વ લશ્કરી ટુકડીઓ માટે વિજયનો આનંદ દુ:ખમાં ફેરવાઈ ગયો. કારણ, તેમણે સાંભળ્યું કે રાજા પોતાના પુત્ર માટે શોક કરે છે. યુધમાંથી નાસી છૂટીને શરમાઈ ગયેલા સૈનિકોની જેમ તેઓ શહેરમાં ચૂપકીદીથી પેસી ગયા. રાજા પોતાનું મુખ ઢાંકીને પોક મૂકીને રડયો. “ઓ મારા પુત્ર, મારા પુત્ર આબ્શાલોમ, આબ્શાલોમ, મારા પુત્ર.” યોઆબે રાજાને ઘેર જઈને કહ્યું, “તમારું જીવન અને તમારા પુત્રપુત્રીઓ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓનાં જીવનો બચાવનાર માણસોને તમે આજે શરમિંદા કર્યા છે. તમારા પર પ્રેમ રાખનારનો તમે તિરસ્કાર કરો છો અને તમારો તિરસ્કાર કરનારાઓ પર પ્રેમ રાખો છો. તમારે મન તમારા સેનાપતિઓ અને સૈનિકોનું કંઈ મૂલ્ય નથી એ તમે આજે જાહેર કર્યું છે. મને લાગે છે કે આજે આબ્શાલોમ જીવતો રહ્યો હોત અને અમે બધા મરી ગયા હોત તો તમે ખુશ હોત. હવે જઈને તમારા સેવકોને ફરી ખાતરી આપો. હું પ્રભુને નામે સોગંદ ખાઉં છું કે જો તમે બહાર આવીને લોકો સાથે વાત નહિ કરો તો આવતી કાલ સવાર સુધી એમાંનો એક પણ તમારી પડખે નહિ હોય. તમારી જિંદગીમાં વહોરેલી સર્વ આફતો કરતાં એ વધારે ભયંકર હશે.” પછી રાજા ઊભો થયો અને જઈને શહેરને દરવાજે બેઠો. તે ત્યાં છે એવું સાંભળીને તેના સર્વ સેવકો તેની આજુબાજુ એકઠા થયા. દરમ્યાનમાં સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના નગરમાં જતા રહ્યા. સમગ્ર દેશમાં તેઓ અંદરોઅંદર વિવાદ કરવા લાગ્યા. તેમણે એકબીજાને કહ્યું, “દાવિદ રાજાએ આપણને આપણા શત્રુઓથી બચાવ્યા. તેમણે આપણને પલિસ્તીઓથી છોડાવ્યા પણ હવે તે આબ્શાલોમથી નાસી છૂટીને દેશ છોડી જતા રહ્યા છે. આપણે આબ્શાલોમનો આપણા રાજા તરીકે અભિષેક કર્યો પણ તે યુદ્ધમાં માર્યો ગયો છે. તેથી દાવિદ રાજાને પાછા લાવવાનો પ્રયાસ કેમ કોઈ કરતું નથી?” ઇઝરાયલીઓની આ વાતના સમાચાર દાવિદ રાજા પાસે પહોંચ્યા. તેથી તેણે યજ્ઞકાર સાદોક અને અબ્યાથારને યહૂદિયાના આગેવાનો પાસે આ સંદેશ કહેવા મોકલ્યા કે, “રાજાને પોતાના મહેલમાં પાછો લાવવામાં તમે સૌથી છેલ્લા કેમ છો? તમે તો મારા સંબંધીઓ, મારા હાડમાંસના છો. મને પાછો લઈ જવામાં તમે છેલ્લા કેમ?” વળી, દાવિદે અમાસાને આવું કહેવા તેમને જણાવ્યું, “તારી સાથે તો મારે લોહીની સગાઈ છે. હવેથી યોઆબની જગ્યાએ હું તને મારા લશ્કરનો કાયમી સેનાપતિ ન બનાવું તો ઈશ્વર મારી વિશેષ દુર્દશા કરો.” દાવિદના શબ્દોએ યહૂદિયાના સર્વ માણસોની સંપૂર્ણ વફાદારી જીતી લીધી અને તેમણે તેને તેના સર્વ અધિકારીઓ સાથે પાછા ફરવા સંદેશો મોકલ્યો. તેથી રાજા પાછો ફર્યો અને યર્દન નદી આગળ આવી પહોંચ્યો. યહૂદિયાના લોકો તેને નદી પાર કરાવીને લઈને જવા માટે ગિલ્ગાલમાં આવ્યા હતા. એ જ સમયે ગેરાનો પુત્ર શિમઈ બિન્યામીની બાહુરીમથી રાજા દાવિદને મળવા ઉતાવળે આવી પહોંચ્યો. તેની સાથે બિન્યામીન કુળના હજાર માણસો હતા. શાઉલના કુટુંબનો નોકર સીબા પણ તેના પંદર પુત્રો અને વીસ સેવકો સાથે રાજાને મળવા યર્દન નદી આગળ પહોંચી ગયો. રાજાના પરિવારને નદી પાર કરાવીને રાજાને પ્રસન્‍ન કરવા તેઓ નદીની સામે પાર ગયા. રાજા નદી ઓળંગવાની તૈયારીમાં હતો તેવામાં શિમઈએ તેની આગળ આવીને ભૂમિ પર શિર ટેકવીને નમન કરતાં કહ્યું, “હે રાજા, મારા માલિક, તમે યરુશાલેમ છોડીને જતા હતા, તે દિવસે મેં આચરેલી દુષ્ટતા હવે સ્મરણમાં લાવશો નહિ. હવેથી તે તમારા મનમાં લાવશો નહિ. હે રાજા, મારા માલિક, હું જાણું છું કે મેં પાપ કર્યું છે અને એટલે જ, યોસેફનાં કુળોમાંથી સૌ પ્રથમ હું આપ નામદારને મળવા આવ્યો છું.” સરુયાનો પુત્ર અબિશાય બોલી ઊઠયો, “શિમઈને મારી નાખવો જોઈએ; કારણ, તેણે પ્રભુએ પસંદ કરેલ અભિષિક્ત રાજાને શાપ દીધો હતો.” પણ દાવિદે અબિશાય અને તેના ભાઈ યોઆબને કહ્યું, “સરુયાના પુત્રો, મેં તમારું શું બગાડયું છે કે તમે આજે મારી વિરુદ્ધ પડયા છો? કોણે તમારો અભિપ્રાય માગ્યો છે? હું ઇઝરાયલનો રાજા છું અને આજે કોઈ ઇઝરાયલીને મારી નાખવાનો નથી.” તેણે શિમઈને કહ્યું, “હું તને શપથપૂર્વક વચન આપું છું કે તું માર્યો જશે નહિ.” પછી શાઉલનો પુત્ર મફીબોશેથ રાજાને મળવા આવ્યો. રાજા યરુશાલેમ છોડીને ગયો ત્યારથી તે વિજયવંત બનીને પાછો ફર્યો ત્યાં સુધી તેણે પોતાના પગ ધોયા નહોતા, પોતાની દાઢી કાપી નહોતી કે પોતાનાં વસ્ત્ર ધોયાં નહોતાં. મફીબોશેથ યરુશાલેમથી રાજાને મળવા આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું, “મફીબોશેથ, તું મારી સાથે કેમ નહોતો આવ્યો?” તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, તમે જાણો છો કે હું લંગડો છું. હું તમારી સાથે સાથે સવારી કરી આવું તે માટે મેં મારા નોકરને મારું ગધેડું તૈયાર કરવા કહ્યું પણ તેણે મને દગો દીધો. હે રાજા, મારા માલિક, તેણે આપની સમક્ષ મારી ખોટી નિંદા કરી, પણ આપ નામદાર તો ઈશ્વરના દૂત જેવા છો. તેથી તમને યોગ્ય લાગે તે કરો. મારા પિતાનું કુટુંબ તમારા હાથે મૃત્યુને પાત્ર હતું, પણ તમે મને તમારી સાથે જમવાનો હક્ક આપ્યો. હે રાજા, મારા માલિક, આપની પાસેથી હવે વિશેષ કૃપા માગવાનો મને કોઈ અધિકાર નથી.” રાજાએ જવાબ આપ્યો, “તારે હવે વધારે કંઈ કહેવાની જરુર નથી. હવે તું અને સીબા શાઉલની મિલક્ત વહેંચી લો.” મફીબોશેથે જવાબ આપ્યો, “સીબા ભલે સર્વ મિલક્ત લઈ લે. મારે માટે તો હે રાજા, મારા માલિક, આપ ઘેર સહીસલામત પાછા આવ્યા છો એટલું જ બસ છે.” ગિલ્યાદ પ્રાંતનો બાર્ઝિલાય પણ રોગેલીમથી રાજાને મળવા યર્દન નદીની પેલે પાર આવ્યો હતો. બાર્ઝિલાય એંસી વર્ષની ઉંમરનો બહુ વૃદ્ધ હતો. તે બહુ શ્રીમંત હતો અને રાજાએ જ્યારે માહનાઇમમાં મુકામ કર્યો હતો ત્યારે તેણે ખોરાક પૂરો પાડયો હતો. રાજાએ તેને કહ્યું, “તું નદી પાર કરીને મારી સાથે યરુશાલેમ આવ અને હું તારું ભરણપોષણ કરીશ.” પણ બાર્ઝિલાયે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, હું હવે બહુ લાંબું જીવવાનો નથી. હું આપની સાથે યરુશાલેમ આવીને શું કરીશ? હું એંસી વર્ષનો છું અને મને કશામાં રસ રહ્યો નથી. હું જે ખાઉંપીઉં છું તેનો આસ્વાદ માણી શક્તો નથી. હું ગાયક- ગાયિકાનો સાદ સાંભળી શક્તો નથી. હું યરુશાલેમ આવીને આપને શા માટે બોજારૂપ થાઉં? આપે મને એવો મોટો બદલો શા માટે આપવો જોઈએ? તેથી હું આપની સાથે યર્દનની પેલે પાર થોડે સુધી આવીશ. પછી મને ઘેર જવા દેજો. જેથી હું મારા વતનમાં જ મૃત્યુ પામું, કારણ, મારા પૂર્વજોની કબર પણ ત્યાં છે. કિમ્હામ તમારી સેવા કરશે. નામદાર, તેને તમારી સાથે લઈ જાઓ. અને તમને જે યોગ્ય લાગે તે તેને માટે કરજો.” રાજાએ જવાબ આપ્યો, “હું તેને મારી સાથે લઇ જઇશ અને તારી ઈચ્છા પ્રમાણે તેને માટે હું કરીશ અને તારે માટે પણ તું જે માગશે તે પ્રમાણે કરીશ.” પછી દાવિદ અને તેના માણસો યર્દન નદી પાર ઊતર્યા. તેણે બાર્ઝિલાયને ચુંબન કરીને આશિષ આપી અને બાર્ઝિલાય ઘેર પાછો ગયો. યહૂદિયાના સર્વ માણસો અને ઇઝરાયલના અડધા માણસોનું સ્વાગત સ્વીકારીને રાજા નદી પાર કરીને ગિલ્ગાલ પહોંચ્યો અને કિમ્હામ તેની સાથે ગયો. પછી સર્વ ઇઝરાયલીઓએ રાજા પાસે જઈને કહ્યું, “હે રાજા, અમારા માલિક, યહૂદિયાના અમારા જાતભાઈઓએ રાજાના માણસો સાથે ભળી જઈને રાજાને પોતાના કેમ કરી લીધા છે? રાજાને અને તેમના પરિવારને નદીની પેલે પારથી તેઓ એકલા કેમ લઈ આવ્યા? યહૂદિયાના માણસોએ જવાબ આપ્યો, “રાજા સાથે અમારે નિકટની સગાઇ છે તેથી અમે તેમ કર્યું છે. એમાં તમારે ખોટું લગાડવાની ક્યાં જરુર છે? રાજાએ અમારા ખોરાક માટે પૈસા આપ્યા નથી કે નથી તેમણે અમને કંઈ બક્ષિસ આપી.” ઇઝરાયલીઓએ જવાબ આપ્યો, “દાવિદ તમારામાંનો હોવા છતાં રાજા તરીકે તેના પર અમારો દસગણો અધિકાર છે તો પછી તમે અમને શા માટે ઉતારી પાડો છે? રાજાને પાછા લાવવાની વાત કરનાર પ્રથમ અમે હતા એ ભૂલી જશો નહિ.” પણ યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસો કરતાં તેમનો દાવો રજૂ કરવામાં વધારે જોરદાર હતા. હવે એવું બન્યું કે ગિલ્ગાલમાં બિન્યામીનના કુળના બિખ્રીનો પુત્ર શેબા દુષ્ટ હતો. સંજોગવશાત્ તે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને પોકાર કર્યો, “દાવિદને દૂર કરો, તેના રાજવંશમાં આપણો કોઈ લાગભાગ નથી. હે ઇઝરાયલના માણસો, તમે સૌ પોતપોતાને ઘેર જાઓ.” તેથી ઇઝરાયલીઓ દાવિદને છોડીને બિખ્રીના પુત્ર શેબા સાથે જતા રહ્યા. પણ યહૂદિયાના માણસો દાવિદને વફાદાર રહ્યા અને યર્દન નદીથી યરુશાલેમ સુધી તેની પાછળ પાછળ ગયા. દાવિદ તેના રાજમહેલમાં આવ્યો એટલે તેણે તેની દસ ઉપપત્નીઓ જેમને તેણે રાજમહેલની સારસંભાળ માટે રાખી હતી તેમને સંરક્ષકોના પહેરા હેઠળ રાખી. તેણે તેમની જરૂરિયાતો પૂરી પાડી પણ તેમનો સમાગમ ન કર્યો. તેમના બાકીના જીવનમાં તેમને વિધવાઓની જેમ અલગ રાખવામાં આવી. રાજાએ અમાસાને કહ્યું, “યહૂદિયાના માણસોને એકઠા કરીને ત્રણ દિવસમાં અહીં પાછો આવી જા.” અમાસા તેમને બોલાવવા ગયો પણ રાજાએ નિયત કરેલા સમય પ્રમાણે તે પાછો આવ્યો નહિ. તેથી રાજાએ અબિશાયને કહ્યું, “બિખ્રીનો પુત્ર શેબા આપણને આબ્શાલોમ કરતાં યે વિશેષ મુશ્કેલીમાં ઉતારશે. મારા માણસો લઈને તેનો પીછો કર, નહિ તો તે કેટલાંક કિલ્લેબંધીવાળાં નગરો સર કરશે અને આપણા હાથમાંથી છટકી જશે.” તેથી અબિશાયની સાથે યોઆબના માણસો, કરેથીઓ અને પલેથીઓમાંના સંરક્ષકો અને બીજા સર્વ સૈનિકો યરુશાલેમ છોડીને શેબાનો પીછો કરવા ગયા. તેઓ ગિબ્યોનમાં મોટા ખડક પાસે પહોંચ્યા ત્યારે તેમને અમાસા મળ્યો. યોઆબે બખ્તર પહેરેલું હતું અને તલવાર તેની મ્યાનમાં તેના કમરપટ્ટા સાથે બાંધેલી હતી. તે આગળ ગયો એવામાં તલવાર બહાર નીકળી પડી. યોઆબે અમાસાને કહ્યું, “ભાઈ કેમ છે?” અને તેણે અમાસાને ચુંબન કરવા માટે પોતાના જમણા હાથથી તેની દાઢી પકડી. યોઆબના બીજા હાથમાંની તલવાર પર અમાસાનું ધ્યાન ગયું નહિ અને યોઆબે તેના પેટમાં તલવાર ભોંકી દીધી અને તેનાં આંતરડાં જમીન પર નીકળી પડયાં. તે તરત જ મરણ પામ્યો અને યોઆબને બીજો ઘા કરવાની જરૂર પડી નહિ. પછી યોઆબ અને તેનો ભાઈ અબિશાય શેબાનો પીછો કરવા ગયા. યોઆબના એક માણસે અમાસાના શબ પાસે ઊભા રહીને પોકાર કર્યો, “યોઆબ અને દાવિદના પક્ષનો હોય તે પ્રત્યેક યોઆબ પાછળ જાય.” લોહીથી તરબોળ અમાસાનું શબ રસ્તા વચ્ચે પડયું હતું. યોઆબના માણસે જોયું કે બધા ખચક્તા હતા. તેથી તે શબ રસ્તા પરથી ઢસડીને ખેતરમાં લઈ ગયો અને તેના પર ચાદર ઢાંકી. રસ્તા પરથી શબ ખસેડયા પછી બધા માણસો શેબાનો પીછો કરવા યોઆબ પાછળ ચાલ્યા. શેબા ઇઝરાયલનાં સર્વ કુળોના પ્રદેશ વટાવીને આબેલ-બેથ- માખાના નગરમાં ગયો, અને બિખ્રીના કુટુંબના સર્વ માણસો તેની પાસે એકઠા થઈને તે નગરમાં ગયા. યોઆબના માણસોને ખબર પડી કે શેબા ત્યાં છે અને તેથી તેણે ત્યાં જઈને તે શહેરને ઘેરો ઘાલ્યો. તેમણે બહારના કોટની લગોલગ માટીનો ઢાળ બનાવ્યો અને નગરકોટ તોડવા લાગ્યા. એ નગરમાં રહેતી એક ચતુર સ્ત્રીએ કોટ પરથી બૂમ પાડી, “સાંભળો, સાંભળો. યોઆબને અહીં આવવા કહો. હું તેની સાથે વાત કરવા માગું છું.” યોઆબ ગયો એટલે તેણે પૂછયું, “તમે યોઆબ છો?” તેણે જવાબ આપ્યો, “હા” તેણે કહ્યું, “સાહેબ, મારું સાંભળો.” યોઆબે જવાબ આપ્યો, “હું સાંભળું છું.” તેણે કહ્યું, “જૂના જમાનામાં લોકો કહેતા કે, ‘આબેલ જઈને સલાહ મેળવો’ અને એમ કરવાથી લોકોના પ્રશ્ર્નનું નિરાકરણ થતું. હું તો ઇઝરાયલના સૌથી શાંતિપ્રિય અને વફાદાર નગરની છું. ઇઝરાયલની આ માતૃસમાન નગરીનો તમે શા માટે નાશ કરવા લાગ્યા છો? તમે તો ખુદ પ્રભુના વારસાનો જ વિનાશ કરવા બેઠા છો.” યોઆબે જવાબ આપ્યો, “હું તો કંઈ તમારા નગરનો નાશ કરવા કે તેને ખંડેર બનાવવા માગતો નથી. એ અમારો આશય નથી. તેથી એ સાચું નથી, પણ એફ્રાઇમના પહાડીપ્રદેશમાંથી આવેલ બિખ્રીના પુત્ર શેબા નામના માણસે દાવિદ રાજા સામે બળવો પોકાર્યો છે. આ એક માણસ અમને સોંપી દો એટલે હું નગર પાસેથી હટી જઈશ.” સ્ત્રીએ કહ્યું, “અમે કોટ ઉપરથી તમારી પાસે તેનું માથું ફેંકીશું.” પછી તે સ્ત્રીએ જઈને નગરજનોને ચતુરાઇથી સમજાવ્યા અને તેમણે શેબાનું માથું કાપીને કોટ ઉપરથી યોઆબ પાસે ફેંકયું. યોઆબે રણશિંગડું વગાડીને ઘેરો ઉઠાવી લીધો. પછી તેઓ ઘેર પાછા આવ્યા અને યોઆબ યરુશાલેમમાં રાજા પાસે આવ્યો. યોઆબ ઇઝરાયલના લશ્કરનો સેનાપતિ હતો. યહોયાદાનો પુત્ર બનાયા કરેથી અને પલેથી અંગરક્ષકોનો ઉપરી હતો. અદોનીરામ વેઠ કરાવનારાઓનો ઉપરી હતો, અહિલૂદનો પુત્ર યહોશાફાટ મંત્રી હતો. શેવા સચિવ હતો. સાદોક અને અબ્યાથાર યજ્ઞકારો હતા. યાઈર નગરનો ઈરા પણ દાવિદનો યજ્ઞકાર હતો. દાવિદના અમલ દરમ્યાન ભયંકર દુકાળ પડયો અને તે સતત ત્રણ વર્ષ ચાલ્યો. તેથી દાવિદે તે વિષે પ્રભુને પૂછી જોયું. પ્રભુએ કહ્યું, “ગિબ્યોનીઓને મારી નાખવા બદલ શાઉલ અને તેના કુટુંબ પર ખૂનનો દોષ લાગેલો છે.” (ગિબ્યોનના લોકો ઇઝરાયલી નહોતા. તેઓ તો અમોરી પ્રજાના બાકી રહી ગયેલા લોક હતા. ઇઝરાયલીઓએ તેમને મારી નહિ નાખવાના સમ ખાધા હતા. પણ ઇઝરાયલ અને યહૂદિયાના લોકો પ્રત્યેના શાઉલના આવેશને લઈને તેણે તેમનો ઉચ્છેદ કરી નાખવાનો પ્રયાસ કર્યો હતો.) તેથી દાવિદે ગિબ્યોનના લોકોને બોલાવીને પૂછયું, “તમારા પર થયેલા અન્યાયી અત્યાચારનું દોષનિવારણ હું શી રીતે કરું કે તમે પ્રભુના લોકોને આશિષ આપો?” તેમણે જવાબ આપ્યો, “શાઉલ અને તેના કુટુંબ સાથેનો અમારો ઝઘડો સોનારૂપાથી પતે તેમ નથી અથવા અમે કોઈ અન્ય ઇઝરાયલીને મારી નાખવા માગતા નથી.” દાવિદે પૂછયું, “તો પછી તમારે માટે હું શું કરું?” તેમણે જવાબ આપ્યો, “શાઉલ અમારો નાશ કરવા માગતો હતો અને ઇઝરાયલમાંથી અમારું નિકંદન કાઢવા ઇચ્છતો હતો. તેથી તેના વંશના સાત પુરુષોને અમારે સ્વાધીન કરો કે અમે તેમને પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજા શાઉલના નગર ગિબ્યામાં પ્રભુની સમક્ષ ફાંસી દઈશું.” રાજાએ જવાબ આપ્યો, “હું તેમને તમારે સ્વાધીન કરીશ.” પણ દાવિદે અને યોનાથાને એકબીજા સાથે પ્રભુને નામે સોગંદ ખાધા હતા તેને લીધે દાવિદે યોનાથાનના પુત્ર એટલે, શાઉલના પૌત્ર મફીબોશેથને બચાવી લીધો. પણ તેણે આયાની પુત્રી રિસ્પાથી થયેલા શાઉલના બે પુત્રો એટલે કે આર્મોની તથા મફીબોશેથને લીધા, વળી તેણે મહોબા નગરના બાર્ઝિલ્લાયના પુત્ર આદીએલને શાઉલની પુત્રી મેરાબથી થયેલા પાંચ પુત્રો પણ લીધા. દાવિદે તેમને ગિબ્યોનના લોકોને સ્વાધીન કર્યા અને તેમણે તેમને પ્રભુ સમક્ષ પર્વત પર ફાંસી દીધી અને સાતેય જણ સાથે મૃત્યુ પામ્યા. કાપણીની ઋતુના શરુઆતના દિવસોમાં, એટલે જવની કાપણીના આરંભમાં તેમને મારી નાખવામાં આવ્યા. પછી આયાની પુત્રી એટલે શાઉલની ઉપપત્ની રિસ્પાએ જ્યાં શબ પડયાં હતાં ત્યાં ખડક પર પોતાના આચ્છાદાન માટે તાટનો ઉપયોગ કર્યો અને કાપણીના આરંભથી વરસાદ આવ્યો ત્યાં સુધી ત્યાં જ રહી. દિવસે તે શબ પાસે પક્ષીઓને આવવા દેતી નહિ અને રાત્રે જંગલી પ્રાણીઓથી શબનું રક્ષણ કરતી. આયાની પુત્રી શાઉલની ઉપપત્ની રિસ્પાના કાર્યની દાવિદને ખબર મળી એટલે તેણે ગિલ્યાદમાં આવેલા યાબેશના લોકો પાસે જઈને શાઉલ અને તેના પુત્ર યોનાથાનનાં હાડકાં મેળવ્યાં. (તેઓ તે હાડકાં બેથશાનના જાહેર ચોકમાંથી ચોરી લાવ્યા હતા. જે દિવસે પલિસ્તીઓએ શાઉલને ગિલ્બોઆ પર્વત પર મારી નાખ્યો હતો તે દિવસે તેમણે તેમના શબ ત્યાં લટકાવ્યાં હતાં.) દાવિદે શાઉલ અને યોનાથાનનાં હાડકાં લીધાં અને જે સાત માણસોને ફાંસી દેવાઈ હતી તેમનાં હાડકાં પણ એકઠાં કર્યાં. પછી તેમણે શાઉલ અને યોનાથાનનાં હાડકાં બિન્યામીનના પ્રદેશમાં આવેલા શેલામાં શાઉલના પિતા કીશની કબરમાં દાટયાં અને એમ રાજાના હુકમ પ્રમાણે તેમણે બધું જ કર્યું. તે પછી ઈશ્વરે દેશ માટેની તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો. પલિસ્તીઓ અને ઇઝરાયલીઓ વચ્ચે ફરીથી યુદ્ધ ફાટી નીકળ્યું અને દાવિદ તથા તેના માણસો જઇને પલિસ્તીઓ સાથે લડયા. એક લડાઇ દરમ્યાન દાવિદ થાકી ગયો. યિશ્બી- બનોબ નામનો રફાઇમ જાતિનો એક રાક્ષસી કદનો માણસ હતો. તેના તાંબાના ભાલાનું વજન સાડા ત્રણ કિલોગ્રામ હતું અને તેણે કમરે નવી તલવાર ધારણ કરેલી હતી. તેનો ઇરાદો દાવિદને મારી નાખવાનો હતો. પણ સરુયાનો પુત્ર અબિશાય દાવિદની મદદે આવ્યો અને એ પલિસ્તી યોદ્ધા પર હુમલો કરીને તેને મારી નાખ્યો. પછી દાવિદના માણસોએ દાવિદને તેમની સાથે લડાઈમાં કદી નહિ આવવા સમ દઈને આગ્રહ કર્યો. તેમણે કહ્યું, “તમે તો ઇઝરાયલની આશાના દીપક સમાન છો અને અમે તમને ગુમાવવા માગતા નથી.” તે પછી પલિસ્તીઓ સાથે ગોબમાં યુદ્ધ થયું. તે દરમ્યાન હુશાય નગરના સિબ્બખાયે રફાઈ જાતિના સારુ નામના યોદ્ધાને મારી નાખ્યો. ગોબમાં પલિસ્તીઓ સાથે બીજી એક લડાઈ થઈ અને બેથલેહેમ નગરના યાઇરના પુત્ર એલ્હાનાનના પુત્રે ગાથ નગરનો ગોલ્યાથ, જેના ભાલાનો દાંડો વણકરની શાળ પરના લાકડા જેવો હતો તેને મારી નાખ્યો. પછી ગાથમાં બીજી એક લડાઈ થઈ. જેમાં એક રાક્ષસી કદનો યોદ્ધો હતો. તેને બન્‍ને હાથે છ છ આંગળીઓ હતી અને બંને પગે છ છ આંગળીઓ હતી. તે ઇઝરાયલીઓનો તુચ્છકાર કરતો હતો. દાવિદના ભાઈ શામ્માના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો. આ ચારેય યોદ્ધાઓ ગાથ નગરના હતા અને રાક્ષસી કદ ધરાવતી રફાઈ જાતિના વંશજો હતા અને દાવિદ અને તેના માણસોએ તેમને મારી નાખ્યા. પ્રભુએ દાવિદને શાઉલ તથા તેના અન્ય શત્રુઓથી બચાવ્યો ત્યારે દાવિદે પ્રભુ સમક્ષ આ ગીત ગાયું: યાહવે મારા સંરક્ષક ખડક છે, તે મારો કિલ્લો અને મારા મુક્તિદાતા છે. ઈશ્વર તો મારા આશ્રયગઢ છે, હું તેમને શરણે જાઉં છું. તે તો મારી ઢાલ, મારી ઉદ્ધારક શક્તિ, મારો મજબૂત ગઢ અને મારા આશ્રય છે, તે મને અત્યાચારથી બચાવે છે. પ્રભુ સ્તુતિપાત્ર છે; હું તેમને પોકારું છું, એટલે તે મને મારા શત્રુઓથી બચાવે છે. વિકરાળ મોજાં મારી ચોતરફ ફરી વળ્યાં હતાં; વિનાશના મોજાં મારી પર ઉછળતાં હતાં. મૃત્યુલોક શેઓલનાં બંધનોએ મને જકડી લીધો હતો, અને મૃત્યુએ મારે માટે જાળ બિછાવી હતી. મારા સંકટને સમયે મેં પ્રભુને પોકાર કર્યો, ઈશ્વરને મેં મદદને માટે પોકાર કર્યો; ત્યારે તેમણે પોતાના મંદિરમાં મારો અવાજ સાંભળ્યો, અને મારા પોકાર પર તેમણે ધ્યાન આપ્યું. ત્યારે પૃથ્વી કાંપી અને તેને આંચકો લાગ્યો, આકાશના પાયા ડોલી ઊઠયા અને ધ્રૂજવા લાગ્યા; કારણ, ઈશ્વર કોપાયમાન થયા હતા. તેમનાં નસકોરાંમાંથી ધૂમાડો અને તેમના મોંમાંથી ભસ્મ કરી નાખનાર અગ્નિજ્વાળા અને સગળતા અંગારા નીકળ્યા. આકાશ ફાડીને તે નીચે ઊતરી આવ્યા અને તેમના પગ નીચે ગાઢ અંધકાર હતો. તે કરુબ પર સવારી કરીને ઊડયા; પવનની પાંખો પર તેમણે સવારી કરી. તેમણે પોતાને અંધકારથી ઢાંક્યા, ગાઢ સજળ વાદળાં તેમની આસપાસ હતાં. તેમની સમક્ષ રહેલા પ્રકાશમાંથી અગ્નિના તણખા ઊડતા હતા. પછી પ્રભુએ આકાશમાંથી ગર્જના કરી, અને સર્વોચ્ચ ઈશ્વરે હુંકાર કર્યો. તેમણે પોતાનાં બાણ મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા, વીજળીના ચમકારાથી તેમણે તેમને નસાડયા. પ્રભુની ધમકીથી, તેમના કોપના સુસવાટથી, સમુદ્રનાં તળિયાં દેખાયાં અને પૃથ્વીના પાયા ખુલ્લા થયા. પ્રભુએ હાથ લંબાવીને મને પકડી લીધો; તેમણે મને ઊંડા પાણીમાંથી ખેંચી કાઢયો. તેમણે મને મારા શક્તિશાળી શત્રુઓથી અને મારો તિરસ્કાર કરનારાઓથી બચાવ્યો; મારા શત્રુઓ મારે માટે બહુ જ શક્તિશાળી હતા. હું સંકટમાં હતો ત્યારે તેમણે મારા પર હુમલો કર્યો, પણ પ્રભુએ મારું રક્ષણ કર્યું. તેમણે મને બધાં બંધનોમાંથી સંપૂર્ણ મુક્ત કર્યો, મારા પર પ્રસન્‍ન હોવાથી તેમણે મને બચાવ્યો. પ્રભુ મને મારા સદાચરણનું પ્રતિફળ આપે છે, અને તે મને મારી નિર્દોષ વર્તણૂકનો બદલો આપે છે. હું નિર્દોષ હોવાથી તે મને આશિષ આપે છે. હું પ્રભુના માર્ગમાં ચાલ્યો છું અને દુષ્ટતા આચરીને હું તેમનાથી વિમુખ ગયો નથી. તેમના ન્યાયચુકાદાઓ મારી સંમુખ છે; તેમના આદેશોથી હું હટી ગયો નથી. હું નિર્દોષ છું અને અન્યાય કરવાથી મેં પોતાને સાચવ્યો છે. તેથી પ્રભુ મને મારા સદાચરણ પ્રમાણે પ્રતિફળ આપે છે અને મારી નિર્દોષ વર્તણૂકનો બદલો આપે છે. હે પ્રભુ, તમે વિશ્વાસુ પ્રત્યે વિશ્વાસુ છો, અને સાત્વિકની સાથે સાત્વિક છો. જેઓ સીધા છે તેઓ પ્રત્યે તમે સીધા છો, પણ આડા પ્રત્યે તમે આડા બનો છો. નમ્રજનોને તમે બચાવો છો, પણ તમે અભિમાનીઓને ધ્યાનમાં રાખીને નીચા પાડો છો. હે પ્રભુ, તમે મારો પ્રકાશ છો, તમે મારા અંધકારને પ્રકાશમાં બદલી નાખો છો. મારા શત્રુઓ પર ત્રાટકવાને તમે મને શક્તિ આપો છો અને તેમની સંરક્ષણ હરોળ ભેદવાને સામર્થ્ય આપો છે. ઈશ્વરના માર્ગ કેવા સંપૂર્ણ છે! તેમનાં વચનો કેવાં ભરોસાપાત્ર છે! તેમને શરણે જનારાને માટે તે ઢાલ સમાન છે. કારણ, પ્રભુ સિવાય બીજો ઈશ્વર કોણ છે? આપણા ઈશ્વર સમાન આશ્રયગઢ કોણ છે? એ જ ઈશ્વર મારો મજબૂત આશ્રયગઢ છે; તે મારો માર્ગ સલામત બનાવે છે. તે મારાં પગલાં હરણનાં જેવાં ચપળ બનાવે છે;* ઉચ્ચસ્થાનો પર તે મને સલામત રાખે છે. તે મારા હાથને લડાઈની તાલીમ આપે છે; મારા ભુજ કાંસાનું મજબૂત ધનુષ પણ તાણી શકે છે. હે પ્રભુ, તમે મને તમારા ઉદ્ધારની ઢાલ આપી છે, તમારી મમતાથી તમે મને મહાન બનાવ્યો છે. મારાં પગલાં માટે તમે વિશાળ જગ્યા આપી છે, અને મારા પગ સરકી ગયા નથી. હું મારા શત્રુઓ પાછળ પડીને તેમને હરાવું છું; તેમનો વિનાશ ન કરું ત્યાં સુધી હું અટક્તો નથી. હું તેમને મારીને પાડી દઉં છું અને તેઓ ઊભા થઈ શક્તા નથી; તેઓ મારા પગ પાસે પટકાઈ પડે છે. તમે મને લડાઈને માટે સામર્થ્ય અને મારા શત્રુઓ પર વિજય આપો છો. તમે મારા શત્રુઓને મારી આગળથી નસાડો છો, મારો તિરસ્કાર કરનારાઓનો હું વિનાશ કરું છું. તેઓ સહાય શોધે છે, પણ કોઈ તેમને બચાવતું નથી; તેઓ પ્રભુને વિનંતી કરે છે પણ તે જવાબ આપતા નથી. હું તેમને કચડું છું અને તેઓ ધૂળ સમાન થઈ જાય છે. શેરીમાંના ક્દવની જેમ હું તેમને રગદોળીને ફંગોળું છું. તમે મને મારા વિદ્રોહી લોકોથી બચાવો છો અને અન્ય દેશો પરનું મારું શાસન ટકાવ્યું છે. પરદેશીઓ મારે પગે પડતા આવ્યા છે; તેઓ મારો પડયો બોલ ઝીલે છે. તેઓ નાહિંમત થઈ જાય છે અને પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા ધ્રૂજતા બહાર આવે છે. પ્રભુ જીવંત છે. મારા સંરક્ષક ખડકને ધન્ય હો! ઈશ્વર મારા ઉદ્ધારક ખડકની મહાનતા જાહેર કરો. તે મને મારા શત્રુઓ પર પૂરો બદલો લેવા દે છે; અન્ય રાષ્ટ્રોને તે મારે તાબે કરે છે. તે મને મારા શત્રુઓથી બચાવે છે, મારા વિદ્રોહીઓ પર મને વિજય પમાડે છે અને જુલ્મી માણસોથી મારું રક્ષણ કરે છે. એ માટે પરપ્રજાઓ મધ્યે હું તમારી પ્રશંસા કરું છું; હું તમારા નામનાં ગુણગાન ગાઉં છું. ઈશ્વર પોતાના રાજાને મહાન વિજયો પમાડે છે, પોતાના પસંદ કરેલા અભિષિક્ત રાજા એટલે દાવિદ અને તેના વંશજો પર સદાકાળ પ્રેમ રાખે છે. ઈશ્વરે યિશાઈના પુત્ર દાવિદને ઉચ્ચપદે સ્થાપ્યો એટલે કે યાકોબના ઈશ્વરે તેનો અભિષેક કરીને તેને રાજા બનાવ્યો. તેણે ઇઝરાયલને માટે ભક્તિ ગીતો રચ્યાં. એ જ દાવિદના આ અંતિમ શબ્દો છે: “પ્રભુનો આત્મા મારા દ્વારા બોલે છે; તેમનો સંદેશો મારા હોઠ પર છે. ઇઝરાયલના સંરક્ષક ખડકે મને કહ્યું; પ્રભુથી ડરીને ચાલનાર રાજા પ્રજા પર ન્યાયપૂર્વક શાસન ચલાવે છે. એવો રાજા વૃષ્ટિ પછીની સવારે વાદળ વિનાના આકાશમાં પ્રકાશતા સૂર્યના જેવો છે; એનાથી ધરતીમાંથી ઘાસ ફૂટી નીકળે છે. તેથી ઈશ્વર સમક્ષ મારો રાજવંશ અચળ છે; કારણ, તેમણે મારી સાથે સનાતન કરાર કર્યો છે. એ કરાર સચોટ અને બાંયધરીવાળો છે; તો પછી પ્રભુ પૂરેપૂરી સહાય નહિ કરે? તે મારી ઇચ્છા ફળીભૂત નહિ કરે? પણ દુષ્ટો નાખી દેવામાં આવતાં કાંટાળા ઝાંખરાં જેવા છે; ઉઘાડે હાથે તેમને કોઈ પકડી શકતું નથી. એને માટે તો લોખંડી હથિયાર કે ભાલાનો ઉપયોગ કરવો પડે છે; જેથી તેઓ જ્યાં છે ત્યાં જ તેમને આગમાં બાળી દેવાય.” દાવિદના શૂરવીરોનાં નામ આ પ્રમાણે છે: પ્રથમ તો તાહુખમોની નગરનો યોશેબ બારશેબેથ હતો. તે ‘વીરત્રિપુટી’નો આગેવાન હતો. તેણે એક જ લડાઈમાં આઠસો માણસોને પોતાના ભાલા વડે વીંધી નાખ્યા. ત્રિપુટીમાં બીજા દરજ્જાનો સૈનિક અહોહીના કુટુંબના દોદોનો પુત્ર એલાઝાર હતો. એક દિવસ તેણે અને દાવિદે લડાઈને માટે એકઠા થયેલા પલિસ્તીઓને પડકાર ફેંક્યો. ઇઝરાયલીઓએ પીછેહઠ કરી. પણ તે પોતાની હરોળ પર મક્કમ રહ્યો અને તેનો હાથ તલવાર છોડી ન શકે એટલો અક્કડ થઈ ગયો ત્યાં સુધી પલિસ્તીઓ સાથે લડીને તેમનો સંહાર કર્યો. પ્રભુએ તે દિવસે મહાન વિજય હાંસલ કર્યો. લડાઈ પૂરી થયા પછી ઇઝરાયલીઓ પાછા ફર્યા અને તેમણે તો માત્ર મૃતદેહો પરથી શસ્ત્રસરંજામ લૂંટવાનું જ કામ કર્યું. ત્રિપુટીમાં ત્રીજા દરજ્જાનો સૈનિક હારારી નગરનો આગેનો પુત્ર શામ્મા હતો. પલિસ્તીઓ લેહી પાસે એકઠા થયા હતા. ત્યાં મસુરનું ખેતર હતું. ઇઝરાયલીઓ પલિસ્તીઓ પાસેથી ભાગ્યા. પણ શામ્માએ રણક્ષેત્રમાં અડગ રહીને પોતાની હરોળ સાચવી રાખી અને પલિસ્તીઓને મારી નાખ્યા. પ્રભુએ તે દિવસે મહાન વિજય હાંસલ કર્યો. કાપણીની શરૂઆતના સમયમાં ત્રીસ મુખ્ય શૂરવીરોમાંથી ત્રણ જણ અદુલ્લામની ગુફામાં દાવિદ પાસે ગયા. ત્યારે પલિસ્તીઓએ રફાઈમના ખીણપ્રદેશોમાં છાવણી નાખી હતી. એ સમયે દાવિદ કિલ્લેબંધીવાળા પર્વત પર રહેતો હતો અને પલિસ્તીઓની એક ટુકડીએ બેથલેહેમ કબજે કર્યું હતું. દાવિદને પોતાના વતનની યાદ સાલતી હતી. તેણે કહ્યું, “બેથલેહેમમાં દરવાજા પાસે આવેલ કૂવામાંથી કોઈ મને પાણી લાવીને પીવડાવે તો કેવું સારું.” પેલા ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણી ભેદીને નગરમાં પ્રવેશ્યા અને ત્યાંથી કૂવામાંથી દાવિદને માટે પાણી કાઢી લાવ્યા. તેણે તે પીધું નહિ; પણ પ્રભુને તે અર્પણ તરીકે રેડી દેતાં તેણે કહ્યું, “પ્રભુ, હું આ પાણી પી શકું નહિ. આ પાણી પીવું તે તો પોતાના જીવ જોખમમાં નાખનાર આ માણસોનું રક્ત પીવા સમાન છે.” તેથી તેણે તે પીવાનો ઇનકાર કર્યો. ત્રણ ખ્યાતનામ સૈનિકોનાં એ પરાક્રમ હતાં. યોઆબનો ભાઈ અબિશાય (તેમની માતાનું નામ સરુયા હતું.) ત્રીસ શૂરવીરોના જૂથનો આગેવાન હતો. તે પોતાનો ભાલો લઈને ત્રણસો માણસો સાથે લડયો અને તેમને મારી નાખ્યા અને તે “ત્રીસ શૂરવીરોના જૂથ” ખ્યાતનામ થઈ ગયો. તે “ત્રીસ” માં સૌથી વધારે પ્રખ્યાત હતો અને તેમનો આગેવાન બન્યો. પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. કાબ્સએલ નગરના યહોયાદાનો પુત્ર બનાયા બીજો એક ખ્યાતનામ સૈનિક હતો. તેણે મોઆબના બે નિપુણ યોદ્ધાઓને મારી નાખ્યા. વળી, એકવાર હિમવર્ષાના દિવસે તેણે કોતરમાં જઈને એક સિંહને મારી નાખ્યો. એકવાર ભાલાથી સજ્જ એવા ઇજિપ્તીને તેણે મારી નાખ્યો. બનાયાએ તેના પર લાકડી વડે હુમલો કર્યો અને ઇજિપ્તીના હાથમાંથી ભાલો ઝૂંટવી લઈને તેને તે વડે મારી નાખ્યો. ત્રીસ શૂરવીરોમાંનો એક એટલે બનાયાનાં એ પરાક્રમો છે. તે તેમનામાં ઉત્તમ હતો. પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાવિદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી બનાવ્યો હતો. ત્રીસ શૂરવીરોના જૂથના અન્ય સભ્યોમાં આ માણસોનો સમાવેશ હતો: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન, હેરોદ નગરના શામ્મા અને અલીકા, પાલટી નગરનો હેલેઝ, તકોઆ નગરના ઈક્કેશનો પુત્ર ઈરા, અનાથોથ નગરનો અબીએઝેર, હુશાય નગરનો મબુન્‍નાય, અહોહી નગરનો સાલ્મોન, નટોફાથ નગરના મહાહાય અને બાહનો પુત્ર હેલેબ, બિન્યામીનમાં આવેલા ગિબ્યા નગરના રિબઈનો પુત્ર ઇતાય, પીરાથોન નગરનો બનાયા, ગાઆશ નજીકની ખીણોના રહેવાસી હિદ્દાય, આરાબ નગરમાંથી અબી-આલ્બોન, બાહુરીમ નગરનો આઝમાવેથ, શાઆલ્બોન નગરનો એલ્યાહબા, યાશેનના પુત્રમાંનો યોનાથાન, હારાર નગરનો શામ્મા, હારાર નગરના શારારનો પુત્ર અહિઆમ, માખાથીનો પુત્ર આહાસ્બાયનો પુત્ર અલીફેલેટ, ગિલોની નગરના અહિથોફેલનો પુત્ર અલીઆમ, ર્કામેલમાંથી હેઝોઇ, આર્બી નગરનો પાઅરાય, સોલાહ નગરના નાથાનનો પુત્ર યિગઆલ, ગાદ નગરનો બાની, આમ્મોનનો સેલેક, બએરોથ નગરનો નાહરાય, યોઆબના શસ્ત્રવાહકો: યિથ્રી નગરના ઈરા તથા ગારેબ અને ઉરિયા હિત્તી. કુલ સાડત્રીસ શૂરવીરો હતા. પ્રભુ ઇઝરાયલ પર ફરીથી કોપાયમાન થયા અને તેમણે દાવિદને પોતાની વિરુદ્ધ ઉશ્કેરીને તેની મારફતે તેમના પર સંકટ આવવા દીધું. પ્રભુએ તેને કહ્યું, “જઈને ઇઝરાયલ અને યહૂદિયાના લોકોની ગણતરી કર.” તેથી દાવિદે પોતાના સેનાપતિ યોઆબને હુકમ આપ્યો, “તારા અધિકારીઓ લઈને દેશની એક સરહદ દાનથી બીજી સરહદ બેરશેબા સુધી ઇઝરાયલના સર્વ કુળપ્રદેશોમાં જા અને લોકોની ગણતરી કર. હું તેમની સંખ્યા જાણવા માગું છું.” પણ યોઆબે રાજાને જવાબ આપ્યો, “રાજા, મારા માલિક, તમારા ઈશ્વર પ્રભુ ઈઝરાયલના લોકો અત્યારે છે તે કરતાં તેમને સો ગણા વધારો અને આપ તે જોવા જીવતા રહો. પરંતુ હે રાજા, મારા માલિક, આ બાબતમાં આપને શો રસ છે?” પણ રાજાએ યોઆબ અને તેના સેનાધિકારીઓને તેના હુકમને આધીન થવા જણાવ્યું. તેઓ તેની પાસેથી ગયા અને તેમણે ઇઝરાયલના લોકોની ગણતરી કરવી પડી. તેમણે યર્દન નદી ઓળંગી અને ગાદની સરહદમાં ખીણની મધ્યે આવેલ નગર અરોએરની દક્ષિણે છાવણી નાખી, ત્યાંથી તેઓ યાઝેર ગયા. ત્યાંથી ગિલ્યાદ અને ત્યાંથી હિત્તીઓની સરહદમાં આવેલા કાદેશમાં ગયા. પછી તેઓ દાનની સરહદમાં ગયા અને દાનથી તેઓ સિદોનની પશ્ર્વિમે ગયા. પછી તેઓ તૂરના કિલ્લેબંધીવાળા નગરની દક્ષિણે ગયા અને ત્યાંથી હિવ્વીઓ અને કનાનીઓના સર્વ નગરોમાં ગયા અને અંતે યહૂદિયાના દક્ષિણ ભાગમાં બેરશેબા ગયા. આમ નવ માસ અને વીસ દિવસ પછી આખા દેશમાં મુસાફરી કરીને તેઓ યરુશાલેમ પાછા ફર્યા. યુદ્ધમાં ભાગ લઈ શકે તેવા પુરુષોની કુલ સંખ્યાનો તેમણે રાજાને અહેવાલ આપ્યો. તેમની સંખ્યા ઇઝરાયલમાં આઠ લાખ અને યહૂદિયામાં પાંચ લાખની થઈ. પણ ગણતરી કર્યા પછી દાવિદનું અંત:કરણ ડંખવા લાગ્યું અને તેણે પ્રભુને કહ્યું, “હે પ્રભુ, આ કાર્ય કરીને મેં અઘોર પાપ કર્યું છે. કૃપા કરીને મને માફ કરો; કેમ કે મેં મૂર્ખાઈ કરી છે.” પ્રભુએ દાવિદના દૃષ્ટા એટલે, સંદેશવાહક ગાદને કહ્યું, “દાવિદને જઇને કહે કે તેની આગળ હું ત્રણ વિકલ્પ મૂકું છું. તેની પસંદગીના વિકલ્પ પ્રમાણે હું કરીશ.” *** પછી ગાદે દાવિદ પાસે જઈને પ્રભુનો સંદેશો જણાવ્યો અને તેને પૂછયું, “તારી કઈ પસંદગી છે? તારા દેશમાં ત્રણ વર્ષનો દુકાળ પડે કે ત્રણ મહિના સુધી તારે તારા શત્રુઓથી ભાગતા ફરવું પડે કે ત્રણ દિવસ સુધી તારા દેશમાં રોગચાળો ફાટી નીકળે? તો હવે વિચાર કરીને મને કહે કે મારે પ્રભુને શો ઉત્તર આપવો?” દાવિદે કહ્યું, “હું વિકટ પરિસ્થિતિમાં આવી પડયો છું, પણ અમે માણસો દ્વારા શિક્ષા પામીએ એ કરતાં પ્રભુ પોતે જ અમને શિક્ષા કરે એ સારું છે. કારણ, પ્રભુ દયાળુ છે.” તેથી પ્રભુએ ઇઝરાયલ પર રોગચાળો મોકલ્યો, જે સવારથી તેમણે નિયત કરેલા સમય સુધી ચાલ્યો. દાનથી બેરશેબા સુધી સમગ્ર દેશમાં સિત્તેર હજાર માણસો માર્યા ગયા. પ્રભુનો દૂત યરુશાલેમનો નાશ કરવાની તૈયારીમાં હતો એવામાં લોકોનો સંહાર જોઈને પ્રભુને દયા આવી અને તેમણે વધુ શિક્ષા કરવાનું માંડી વાળ્યું. તેમણે સંહારક દૂતને કહ્યું, “બસ, એટલું પૂરતું છે.” એ વખતે દૂત યબૂસી અરાવ્નાના અનાજના ખળા પાસે હતો. લોકોને મારી નાખતા દૂતને દાવિદે જોયો અને પ્રભુને કહ્યું, “હું દોષિત છું. ભૂંડુ તો મેં કર્યું છે. આ બિચારા ઘેટાં સમાન લોકોએ શું કર્યું છે? તમારે તો મને અને મારા કુટુંબને શિક્ષા કરવી જોઈએ.” એ જ દિવસે ગાદે દાવિદ પાસે જઈને તેને કહ્યું, “અરાવ્નાના અનાજના ખળાએ જા અને ત્યાં પ્રભુને માટે વેદી બાંધ.” દાવિદે પ્રભુની આજ્ઞા માની અને ગાદના કહ્યા પ્રમાણે તે ગયો. અરાવ્નાએ જોયું તો રાજા અને તેના અધિકારીઓ તેની પાસે આવી રહ્યા હતા. અરાવ્નાએ દાવિદ પાસે આવીને તેને ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કરતાં પૂછયું, “હે રાજા, મારા માલિક, આપ કેમ પધાર્યા છો?” દાવિદે જવાબ આપ્યો, “રોગચાળો બંધ થાય તે માટે તારા અનાજના ખળામાં પ્રભુને માટે વેદી બાંધવા માટે હું તે ખળું તારી પાસેથી ખરીદવા આવ્યો છું.” અરાવ્નાએ કહ્યું, “હે રાજા, મારા માલિક, આપ એ લઈ લો અને આપે પ્રભુને જે અર્પણ ચઢાવવું હોય તે ચઢાવો. વેદી પર દહન કરવા માટે અહીં સાંઢ છે. બળતણ માટે અહીં તેમની ઝૂંસરીઓ અને અનાજ ઝૂડવાનાં પાટિયાં છે.” અરાવ્નાએ એ બધું રાજાને આપીને કહ્યું, “પ્રભુ તમારા ઈશ્વર તમારું અર્પણ સ્વીકારો.” પણ રાજાએ જવાબ આપ્યો, “ના, હું તેને માટે કિંમત ચૂકવીશ. જેને માટે કંઈ કિંમત ચૂકવવી પડી નથી એવો બલિ હું મારા ઈશ્વર પ્રભુને ચઢાવીશ નહિ.” અને તેણે અનાજનું ખળું અને સાંઢ ચાંદીના પચાસ સિક્કા આપી ખરીદયાં. પછી તેણે પ્રભુને માટે વેદી બાંધી અને દહનબલિ તથા સંગતબલિ અર્પ્યા. પ્રભુએ દાવિદની દેશ માટે કરેલી પ્રાર્થના માન્ય કરી અને ઇઝરાયલમાંથી રોગચાળો બંધ થયો. દાવિદ રાજા હવે ઘણો વૃદ્ધ થયો હતો, અને તેના નોકરોએ તેને કામળા ઓઢાડયા, તોપણ તેનામાં ગરમી આવી નહિ. તેથી તેના અધિકારીઓએ તેને કહ્યું, “હે રાજા, મારા માલિક, તમારી સાથે રહેવા અને તમારી સેવાચાકરી કરવા અમને એક યુવતી શોધી કાઢવા દો. તે તમારી ગોદમાં સૂઈ જશે અને તેનાથી તમારા શરીરને હૂંફ વળશે.” સમગ્ર ઇઝરાયલમાં સુંદર યુવતીની શોધ કરવામાં આવી અને તેમને શૂનેમમાંથી અબિશાગ નામની એવી યુવતી મળી આવી. તેઓ તેને રાજા પાસે લઈ આવ્યા. તે ખૂબસૂરત હતી. તે રાજાની સેવા કરતી અને તેમની સંભાળ લેતી, પણ રાજાએ તેની સાથે સમાગમ કર્યો નહિ. હવે આબ્શાલોમ મરણ પામ્યો હોવાથી દાવિદ અને રાણી હાગ્ગીથનો પુત્ર અદોનિયા તેમના બાકીના પુત્રોમાં જ્યેષ્ઠ પુત્ર હતો. તે ઘણો સુંદર હતો. દાવિદે તેને કયારેય કોઈ બાબતમાં ઠપકો આપ્યો નહોતો. તેને રાજા બનવાની મહત્વાકાંક્ષા હતી. તેણે પોતાને માટે રથો, ઘોડાઓ અને પચાસ માણસોના રસાલાની વ્યવસ્થા કરી. *** તેણે યોઆબ (જેની માતાનું નામ સરુયા હતું) અને યજ્ઞકાર અબ્યાથાર સાથે મસલત કરી અને તેઓ તેને ટેકો આપવા સંમત થયા. પણ યજ્ઞકાર સાદોક, યહોયાદાનો પુત્ર બનાયા, સંદેશવાહક નાથાન, શિમઈ, રેઇ અને દાવિદના અંગરક્ષકો અદોનિયાના પક્ષમાં નહોતા. એક દિવસે અદોનિયાએ એન-રોગેલના ઝરણા નજીક ઘેટાં, બળદો અને માતેલા વાછરડાનું અર્પણ કર્યું. તેણે દાવિદ રાજાના અન્ય પુત્રો અને યહૂદિયામાં વસતા રાજાના સર્વ અમલદારોને એ યજ્ઞની મિજબાનીમાં નિમંત્રણ આપ્યું હતું. પણ તેણે તેના સાવકા ભાઈ શલોમોનને, સંદેશવાહક નાથાનને, બનાયાને કે રાજાના અંગરક્ષકોને આમંત્રણ આપ્યું નહિ. પછી નાથાને શલોમોનની માતા બાથશેબા પાસે જઈને તેને કહ્યું, “હાગ્ગીથનો પુત્ર રાજા બની બેઠો છે એ શું તમે સાંભળ્યું નથી? વળી, દાવિદ રાજાને તો એની ખબર પણ નથી! તમારે તમારી અને તમારા પુત્ર શલોમોનની જિંદગી બચાવવી હોય તો મારી સલાહ માનો. તાત્કાલિક દાવિદ રાજા પાસે જઈને તેમને કહો કે, ‘હે રાજા, મારા માલિક, તમારા પછી મારો પુત્ર શલોમોન રાજા બનશે એવું શપથપૂર્વક વચન તમે નહોતું આપ્યું? તો પછી અદોનિયા રાજા કેમ થઈ બેઠો છે?” વળી, નાથાને તેને કહ્યું, “તમે રાજા સાથે બોલતાં હશો એવામાં જ હું અંદર આવીને એ વાતને અનુમોદન આપીશ.” તેથી બાથશેબા રાજાને મળવા તેના શયનખંડમાં ગઈ. તે ઘણો વૃદ્ધ થઈ ગયો હતો અને શૂનેમમાંથી આવેલી યુવતી અબિશાગ તેની સેવાચાકરી કરતી હતી. બાથશેબાએ રાજાને નમન કર્યું. રાજાએ પૂછયું, “તારી શી ઇચ્છા છે?” તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, તમારા ઈશ્વર પ્રભુને નામે તમે મને શપથપૂર્વક વચન આપ્યું હતું કે તમારા પછી મારો પુત્ર શલોમોન રાજા થશે અને તમારા રાજ્યાસન પર બિરાજશે. પણ હવે તો અદોનિયા રાજા બની બેઠો છે અને તમને તેની કંઈ ખબર નથી. તેણે ઘણાં બળદો, ઘેટાં અને માતેલા વાછરડાઓનું અર્પણ કર્યું છે. તેણે તમારા પુત્રો, યજ્ઞકાર અબ્યાથાર અને તમારા સેનાપતિ યોઆબને મિજબાનીમાં આમંત્રણ આપ્યું છે, પણ તમારા પુત્ર શલોમોનને આમંત્રણ આપ્યું નથી. હે રાજા, મારા માલિક, તમારા પછી કોણ રાજા બનશે તે અંગે તમે સ્પષ્ટતા કરો એવી સમગ્ર ઇઝરાયલ રાહ જુએ છે. જો તમે નહિ કરો, તો તમારુ મૃત્યુ થતાં જ હું અને મારો પુત્ર શલોમોન રાજદ્રોહીઓમાં ખપી જઈશું.” તે બોલી રહી એવામાં જ નાથાન રાજમહેલમાં આવી પહોંચ્યો. રાજાને નાથાન સંદેશવાહકના આગમનની જાણ કરવામાં આવી અને નાથાને અંદર જઈને રાજા આગળ નમીને તેમને પ્રણામ કર્યા. પછી તેણે કહ્યું, “હે રાજા, મારા માલિક, તમારા પછી અદોનિયા રાજા બને અને તમારા રાજ્યાસન પર બિરાજે એવું તમે જાહેર કર્યું છે? તેણે આજે બળદો, ઘેટાંઓ અને માતેલા વાછરડાઓનો યજ્ઞ કર્યો છે. તેણે તમારા પુત્રોને, તમારા સેનાપતિ યોઆબને અને અબ્યાથાર યજ્ઞકારને આમંત્રણ આપ્યું છે, અને અત્યારે તેઓ તેની સાથે મિજબાની માણી રહ્યા છે અને ‘અદોનિયા રાજા અમર રહો,’ એવો સૂત્રોચ્ચાર કરે છે. પણ તેણે મને, સાદોક યજ્ઞકારને, બનાયાને કે તમારા પુત્ર શલોમોનને આમંત્રણ આપ્યું નથી. શું નામદાર રાજાએ એ અંગે સંમતિ આપી છે? તમારા પછી કોણ રાજા બનશે એ પોતાના અમલદારોને પણ તમે જણાવ્યું નથી?” દાવિદ રાજાએ કહ્યું, “બાથશેબાને અંદર આવવા કહો.” તેથી તે આવીને રાજા આગળ ઊભી રહી. પછી રાજાએ તેને કહ્યું, “મને મારા સર્વ સંકટોમાંથી બચાવનાર જીવંત પ્રભુને નામે તને વચન આપું છું કે મારા પછી તારો પુત્ર શલોમોન રાજા થશે એવું જે વચન મેં તને ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે આપ્યું હતું તે હું આજે પાળીશ.” બાથશેબાએ રાજાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં કહ્યું, “હે મારા સ્વામી, મારા રાજા અમર રહો!” પછી રાજાએ સાદોક, નાથાન અને બનાયાને બોલાવ્યા. તેથી તેઓ રાજાની હજૂરમાં આવ્યા. રાજાએ તેમને કહ્યું, “મારા રાજદરબારીઓને તમારી સાથે લઈ જાઓ; મારા પુત્ર શલોમોનને મારા ખચ્ચર પર સવારી કરાવીને ગિહોનના ઝરણાએ લઈ જાઓ. ત્યાં સાદોક અને નાથાન ઇઝરાયલના રાજા તરીકે તેનો અભિષેક કરે. પછી તમે રણશિંગડું વગાડીને “શલોમોન રાજા અમર રહો,” એવો પોકાર કરજો. તે અહીં મારા રાજ્યાસન પર બેસવા આવે ત્યારે તમે તેની પાછળ પાછળ આવજો. તે મારા પછી રાજા બનશે; કારણ, ઇઝરાયલ અને યહૂદિયા પર અમલ કરવાને મેં તેને જ પસંદ કર્યો છે.” બનાયાએ કહ્યું, “આમીન! તમારા ઈશ્વર પ્રભુ એ વાતને સમર્થન આપો. હે રાજા, મારા માલિક, પ્રભુ જેમ તમારી સાથે રહ્યા તેમને શલોમોનની સાથે પણ રહો, અને તમારા રાજ્ય કરતાં ય તેનું રાજ્ય મહાન બનાવો.” તેથી સાદોક, નાથાન, બનાયા અને રાજાના અંગરક્ષકોએ શલોમોનને દાવિદ રાજાના ખચ્ચર પર બેસાડયો અને તેને ગિહોનના ઝરણાએ લઈ ગયા. સાદોક મુલાકાતમંડપમાંથી તેલનું શિંગડું લાવ્યો હતો; તેણે તે લઈને શલોમોનનો અભિષેક કર્યો. તેમણે રણશિંગડું વગાડયું અને સર્વ લોકોએ પોકાર કર્યો, “શલોમોન રાજા અમર રહો!” પછી ધરતી ધ્રૂજી ઊઠે એવા અવાજે તેઓ સૌ આનંદથી પોકારતા અને વાંસળીઓ વગાડતા તેની પાછળ પાછળ ગયા. અદોનિયા અને તેના મહેમાનો મિજબાની પૂરી કરી રહ્યા હતા તેવામાં તેમણે પેલો અવાજ સાંભળ્યો. યોઆબે રણશિંગડું સાંભળીને પૂછયું, “નગરમાં આ શાનો કોલાહલ થાય છે?” હજુ તો તે બોલતો હતો એવામાં યજ્ઞકાર અલ્યાથારનો પુત્ર યોનાથાન આવી પહોંચ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ; તું સારો માણસ છે. તારી પાસે શુભ સમાચાર હોવા જોઈએ.” યોનાથાને કહ્યું, “ના જી, એવું નથી, કારણ, નામદાર રાજા દાવિદે શલોમોનને રાજા બનાવ્યો છે. તેમણે સાદોક, નાથાન, બનાયા અને રાજાના અંગરક્ષકોને શલોમોનની સાથે મોકલ્યા હતા. તેમણે તેને રાજાના ખચ્ચર પર બેસાડયો હતો; અને સાદોક તથા નાથાને તેનો ગિહોનના ઝરણા પાસે રાજા તરીકે અભિષેક કર્યો છે. પછી તેઓ આનંદનો પોકાર કરતાં કરતાં નગરમાં ગયા અને લોકો અત્યારે કોલાહલ કરી રહ્યા છે. તમે હમણાં જે અવાજ સાંભળ્યો તે તેનો જ છે. હવે શલોમોન રાજગાદી પર બિરાજ્યો છે. વળી, રાજદરબારીઓએ દાવિદ રાજા પાસે જઈને તેમને અભિવંદન કરીને આવું કહ્યું, “ઈશ્વર તમારા કરતાં શલોમોનને વિશેષ ખ્યાતનામ કરો અને તમારા અમલ કરતાં યે શલોમોનના અમલને વિશેષ સમૃદ્ધિવાન કરો.’ દાવિદ રાજાએ પણ પોતાની પથારીમાં માથું નમાવીને આ પ્રમાણે આરાધના કરી: ‘ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. કારણ, તેમણે મારા પછી મારા વંશજને રાજા બનાવ્યો છે, અને એ જોવાને મને જીવતો રાખ્યો છે.” ત્યારે અદોનિયાના મહેમાનો ગભરાયા અને સૌ ઊઠીને પોતપોતાને રસ્તે પડ્યા. શલોમોનથી ખૂબ ભયભીત થઈને અદોનિયા મુલાકાતમંડપે નાસી ગયો અને ત્યાં જઈને તેણે વેદીનાં શિંગ પકડયાં. શલોમોન રાજાએ સાંભળ્યું કે અદોનિયા તેનાથી ગભરાઈને નાસી ગયો છે અને વેદીનાં શિંગ પકડીને કહે છે, “શલોમોન રાજા પ્રથમ સમ ખાય કે તે મને મારી નાખશે નહિ.” શલોમોને જવાબ આપ્યો, “જો તે વફાદાર માલૂમ પડશે, તો તેનો એક વાળ પણ વાંકો થશે નહિ; પણ જો તેનામાં દુષ્ટતા માલૂમ પડશે તો તે માર્યો જશે.” પછી શલોમોન રાજાએ અદોનિયા પાસે માણસો મોકલ્યા અને તેઓ તેને વેદી પરથી ઉતારી લાવ્યા. અદોનિયાએ રાજા પાસે આવીને તેને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં. રાજાએ તેને કહ્યું, “તારે ઘેર જા.” દાવિદનો અંત નજીક આવ્યો હતો અને તેથી તેણે શલોમોનને બોલાવીને આ પ્રમાણે છેલ્લી સૂચનાઓ આપી: “મારા મૃત્યુનો સમય હવેનજીક છે. હિમ્મતવાન અને મક્કમ થા, અને તારા ઈશ્વર પ્રભુ તને જે આજ્ઞા આપે તે પ્રમાણે કર. મોશેના નિયમશામાં લખેલા પ્રભુના સર્વ નિયમો અને આજ્ઞાઓ પાળ; જેથી તું જ્યાં જાય ત્યાં સર્વ બાબતોમાં સફળ થાય. જ્યાં સુધી મારા વંશજો પોતાના પૂરા દયથી અને જીવથી વિશ્વાસુપણે પ્રભુની આજ્ઞાઓ પાળવામાં કાળજી રાખશે ત્યાં સુધી તેઓ ઇઝરાયલ પર રાજ કરશે એવું પ્રભુનું વરદાન છે. જો તું પ્રભુને આધીન થઈશ, તો તે એ વરદાન પાળશે. “વળી, તું જાણે છે કે સરુયાના પુત્ર યોઆબે ઇઝરાયલી સૈન્યના બે સેનાપતિઓ એટલે, નેરના પુત્ર આબ્નેરને અને યેથેરના પુત્ર અમાસાને મારી નાખીને મારા પ્રત્યે કેવું વર્તન દાખવ્યું છે. તેણે તેમને શાંતિના સમયમાં મારી નાખીને યુદ્ધમાં માર્યા ગયેલા માણસોનું વેર લીધું. તેણે નિર્દોષ જનનાં ખૂન કર્યાં એની જવાબદારી હવે મારે શિર છે અને મારે તેનાં પરિણામો ભોગવવાં પડે છે. તારે તેની સાથે કેવી રીતે કામ પાર પાડવું તે તો તું સમજે છે. તું તેને કુદરતી મોતે મરવા દઈશ નહિ. “પણ ગિલ્યાદના બાર્ઝિલ્લાયના પુત્રો પ્રત્યે ભલાઈ દાખવજે અને તેમનું ભરણપોષણ કરજે; કારણ, તારા ભાઈ આબ્શાલોમથી હું નાસી છૂટયો ત્યારે તેઓ મારું ભરણપોષણ કરી મારે પડખે ઊભા રહ્યા હતા. “બિન્યામીનના કુળપ્રદેશના બાહુરીમ નગરના ગેરાનો પુત્ર શિમઈ છે. હું માહનાઇમ જતો હતો તે દિવસે તેણે મને ભારે શાપ આપ્યો હતો. પણ તે મને યર્દન નદીએ મળ્યો ત્યારે મેં તેને પ્રભુને નામે સમ ખાઈને વરદાન આપ્યું હતું કે હું તેને મારી નાખીશ નહિ. તું તેને નિર્દોષ ઠરાવીશ નહિ; પણ તેને સજા કરજે. તારે શું કરવું તેની સમજ તારામાં છે. તે માર્યો જાય તે જોજે.” દાવિદ મૃત્યુ પામ્યો, અને તેને દાવિદનગરમાં દફનાવવામાં આવ્યો. ઇઝરાયલ પર તેણે એકંદરે ચાલીસ વર્ષ રાજ કર્યું. તેણે સાત વર્ષ હેબ્રોનમાં રહીને અને તેત્રીસ વર્ષ યરુશાલેમમાં રહીને રાજ કર્યું. દાવિદ પછી તેનો પુત્ર શલોમોન રાજા બન્યો, અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું. અદોનિયાનો સંહાર પછી અદોનિયા, જેની માતાનું નામ હાગ્ગીશ હતું, તે શલોમોનની માતા બાથશેબા પાસે ગયો. બાથશેબાએ પૂછયું. “શું તું સદ્ભાવપૂર્વક મળવા આવ્યો છે?” તેણે કહ્યું, “હા, સદ્ભાવપૂર્વક.” વળી, તેણે કહ્યું, “તમારી આગળ હું એક માગણી રજૂ કરવા આવ્યો છું.” તેણે પૂછયું, “શી માગણી?” તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો કે મારે રાજા બનવાનું હતું; ઇઝરાયલમાં સૌ કોઈની એ અપેક્ષા હતી. પણ એથી ઊલટું જ થયું. મારો ભાઈ રાજા બની ગયો, કારણ, એ પ્રભુની ઇચ્છા હતી. હવે મારી એક વિનંતી છે. મને તેની ના પાડશો નહિ.” બાથશેબાએ પૂછયું, “શી વિનંતી છે?” તેણે જવાબ આપ્યો, “તમે શલોમોન રાજાને વાત કરો કે તે મને શૂનેમની યુવતી અબિશાગ સાથે લગ્ન કરવા દે. હું જાણું છું કે શલોમોન તમને ના નહિ પાડે.” તેણે જવાબ આપ્યો, “ભલે, હું તારે માટે રાજાને વાત કરીશ.” તેથી બાથશેબા અદોનિયા માટે વાત કરવા રાજા પાસે ગઈ. રાજા ઊભો થયો અને પોતાની માને નમીને પ્રણામ કર્યા. પછી તે પોતાના રાજ્યાસન પર બેઠો, અને તેણે એક બીજું આસન મંગાવ્યું જેના પર બાથશેબા રાજાની જમણી તરફ બેઠી. તેણે કહ્યું, “મારે તને એક નજીવી વિનંતી કરવાની છે. મને તેની ના પાડીશ નહિ.” તેણે કહ્યું, “મા તમારી શી વિનંતી છે? હું તમને તેની ના નહિ પાડું.” તેણે કહ્યું, “તારા ભાઈ અદોનિયાને શૂનેમની અબિશાગ સાથે લગ્ન કરવા દે.” રાજાએ કહ્યું, “તમે તેને શૂનેમની અબિશાગ સોંપવાની માગણી મૂકો છો! તો પછી તેને રાજ્ય સોંપી દેવાનું ય કહોને! ગમે તેમ તોય તે મારો મોટો ભાઈ છે અને અબ્યાથાર યજ્ઞકાર અને યોઆબ તેના પક્ષમાં છે!” પછી શલોમોને પ્રભુને નામે સમ ખાધા: “આવી માગણી કર્યા બદલ અદોનિયાને પોતાના જીવની કિંમત ન ચૂકવાવું તો ઈશ્વર મને મારી નાખો. પ્રભુએ મને મારા પિતાના રાજ્યાસન પર સ્થિર કર્યો છે; તેમણે પોતાનું વચન પાળ્યું છે અને મને અને મારા વંશજોને રાજ્ય આપ્યું છે. હું જીવતા પ્રભુના સોગંદ ખાઉં છું કે અદોનિયા આજે જ માર્યો જશે.” પછી શલોમોન રાજાએ બનાયાને આજ્ઞા કરી એટલે તેણે જઈને અદોનિયાને મારી નાખ્યો. પછી શલોમોન રાજાએ અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “તારા વતન અનાથોથમાં ચાલ્યો જા. તું મરણપાત્ર છે; પણ હું તને હાલ મારી નાખીશ નહિ. કારણ, તું મારા પિતા દાવિદની સાથે હતો એ બધા સમય દરમ્યાન કરારપેટી તારા હસ્તક હતી અને તું તેમનાં સર્વ સંકટોમાં ભાગીદાર થયો હતો.” પછી શલોમોને અબ્યાથારને પ્રભુની સમક્ષ યજ્ઞકાર તરીકેની તેની સેવામાંથી તેને કાઢી મૂક્યો. એમ યજ્ઞકાર એલી તથા તેના વંશજો વિષે પ્રભુએ શીલોમાં જે કહ્યું હતું તે પૂરું થયું. યોઆબને તેની જાણ થઈ, (તેણે અદોનિયાનો પક્ષ લીધો હતો, જો કે તેણે આબ્શાલોમનો પક્ષ કર્યો નહોતો.) તેથી તે પ્રભુના મુલાકાતમંડપમાં નાસી ગયો અને ત્યાં તેણે વેદીના શિંગ પકડયાં. યોઆબ ત્યાં નાસી ગયો છે અને વેદી પાસે છે એવી ખબર મળતાં શલોમોન રાજાએ યોઆબ શા માટે વેદી પાસે જતો રહ્યો છે તે પૂછવા સંદેશક મોકલ્યા. યોઆબે જવાબ આપ્યો કે તે શલોમોનથી ગભરાઈને પ્રભુ પાસે નાસી ગયો છે. તેથી શલોમોન રાજાએ યોઆબને મારી નાખવા બનાયાને મોકલ્યો. તેણે પ્રભુના મુલાકાતમંડપમાં જઈને યોઆબને કહ્યું, “તું બહાર આવ એવો રાજાનો હુકમ છે.” યોઆબે કહ્યું, “ના, હું તો અહીં જ મરીશ.” બનાયાએ રાજા પાસે જઈને યોઆબે જે કહ્યું તે કહી જણાવ્યું. શલોમોને કહ્યું, “તો ભલે યોઆબના કહેવા પ્રમાણે કર. તેને મારીને દાટી દે. પછી યોઆબે નિર્દોષ માણસોનો સંહાર કર્યો તેની જવાબદારી મારા પર કે દાવિદના બીજા કોઈ વંશજ પર રહેશે નહિ. મારા પિતા દાવિદની જાણ બહાર યોઆબે કરેલાં ખૂનને લીધે પ્રભુ તેને શિક્ષા કરો. યોઆબે પોતાના કરતાં બે ન્યાયી અને સારા માણસોને, એટલે, ઇઝરાયલના સેનાપતિ, એટલે નેરના પુત્ર આબ્નેરને અને યહૂદિયાના સેનાપતિ એટલે યેથેરના પુત્ર અમાસાને મારી નાખ્યા હતા. એમના ખૂનની શિક્ષા યોઆબ અને તેના વંશજો પર સદા રહેશે; પણ દાવિદના રાજ્યાસન પર બિરાજમાન તેના સર્વ વંશજોને પ્રભુ આબાદી બક્ષશે.” તેથી બનાયાએ મુલાકાતમંડપમાં જઈને યોઆબને મારી નાખ્યો, અને તેને તેના વતનમાં વેરાન જગામાં દફનાવવામાં આવ્યો. રાજાએ યોઆબની જગ્યાએ યહોયાદાના પુત્ર બનાયાને સેનાપતિ બનાવ્યો અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યજ્ઞકારપદે નીમ્યો. પછી રાજાએ શિમઈને બોલાવીને કહ્યું, “યરુશાલેમમાં તારે માટે ઘર બાંધીને રહે અને નગર છોડીશ નહિ. જો તું કિદ્રોનના વહેળાને પેલે પાર ગયો તો ચોક્કસ માર્યો જશે, અને તેનો દોષ તારે શિર રહેશે.” શિમઈએ જવાબ આપ્યો, “ભલે નામદાર, હું તમારા કહ્યા પ્રમાણે કરીશ.” તેથી તે યરુશાલેમમાં લાંબો સમય રહ્યો. પણ ત્રણ વર્ષ પછી શિમઈના બે ગુલામો ગાથના રાજા માખાના પુત્ર આખીશ પાસે નાસી ગયા. તેઓ ગાથમાં છે એવી ખબર મળી. તેથી શિમઈ તેમને શોધવા માટે ગધેડા પર બેસીને આખીશ રાજા પાસે ગાથમાં ગયો. તે તેમને શોધીને ઘેર પાછા લાવ્યો. શલોમોનને તેની ખબર પડી; તેથી તેણે શિમઈને બોલાવીને કહ્યું, “મેં તને પ્રભુને નામે સોગંદ લેવડાવીને યરુશાલેમ છોડવા ના પાડી હતી. મેં તને ચેતવણી આપી હતી કે જો તું તેમ કરીશ તો જરૂર માર્યો જઈશ. તો પછી તેં પ્રભુના સમ ખાઈને લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરીને મારી આજ્ઞા કેમ ઉથાપી છે? મારા પિતા દાવિદ પ્રત્યે તેં કેવી દુષ્ટતા કરી હતી તે સર્વ તું જાણે છે. પ્રભુ તને તેની શિક્ષા કરશે, પણ મને તો તે આશિષ આપશે અને દાવિદના રાજ્યને પ્રભુની સમક્ષ સદાને માટે સલામત કરશે.” પછી રાજાએ બનાયાને હુકમ કર્યો એટલે તેણે જઈને શિમઈને મારી નાખ્યો. હવે શલોમોનની રાજસત્તા દ્રઢ બની. ઇજિપ્તના રાજાની પુત્રી સાથે લગ્ન કરીને શલોમોને તેની સાથે સંબંધ બાંધ્યો. તે પોતાનો મહેલ, પ્રભુનું મંદિર અને યરુશાલેમની ચોતરફ કોટ બાંધી રહ્યો ત્યાં સુધી તેણે તેને દાવિદનગરમાં લાવીને રાખી. પ્રભુને માટે હજી મંદિર બાંધવામાં આવ્યું નહોતું, અને લોકો ભક્તિનાં જુદાં જુદાં ઉચ્ચસ્થાનો પર બલિદાન ચડાવતા હતા. શલોમોન પ્રભુ પર પ્રેમ રાખતો હતો અને તેના પિતા દાવિદની સૂચનાઓને અનુસરતો હતો, પણ તે ભક્તિનાં વિવિધ ઉચ્ચસ્થાનો પર બલિદાન અને ધૂપ ચડાવતો હતો. એકવાર તે ગિબ્યોનમાં અર્પણ ચડાવવા ગયો, કારણ, ત્યાં ભક્તિનું સૌથી મોટું ઉચ્ચસ્થાન હતું. તે ત્યાં પ્રત્યેક વખતે હજાર સંપૂર્ણ દહનબલિ ચડાવતો. તે રાત્રે પ્રભુએ તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, “માગ, હું તને શું આપું? તારી શી ઇચ્છા છે?” શલોમોને જવાબ આપ્યો, “તમે તમારા સેવક, મારા પિતા દાવિદ પ્રત્યે હમેશાં પ્રેમ રાખ્યો હતો, અને તે તમારી સાથેના સંબંધોમાં સદાચારી, વફાદાર અને પ્રામાણિક હતા. તેમની જગ્યાએ આજે રાજ કરવા માટે પુત્ર આપીને તમે તેમના પ્રત્યે અવિરત અને પુષ્કળ પ્રેમ રાખ્યો છે. હે મારા ઈશ્વર પ્રભુ, હું ઘણો જુવાન છું અને સૈન્યને આગેવાની આપવાનો મને અનુભવ નથી. છતાં તમે મને મારા પિતા પછી રાજા બનાવ્યો છે. તમે પસંદ કરેલા તમારા અગણિત લોક મધ્યે હું છું. તેથી તમારા લોક પર ન્યાયપૂર્વક રાજ કરવાને અને ભલુંભૂંડું પારખવાને મને જ્ઞાની હૃદય આપો. નહિ તો, હું કેવી રીતે તમારી આ મહાન પ્રજા પર ન્યાયપૂર્વક રાજ કરી શકું?” શલોમોનની એ માગણી પર પ્રભુ પ્રસન્‍ન થઈ ગયા. તેથી તેમણે તેને કહ્યું, “પોતાને માટે દીર્ઘાયુષ્ય, સમૃદ્ધિ અથવા તારા શત્રુઓના જાન નહિ માગતાં તેં ન્યાયપૂર્વક રાજ કરવા જ્ઞાન માગ્યું હોઈ તારી માગણી હું પૂરી કરીશ. અગાઉ થઈ ગયેલા અથવા હવે પછી થનાર કોઈ માણસ પાસે ન હોય એવાં જ્ઞાન અને સમજણ હું તને આપીશ. *** વળી, તેં જેની માગણી નથી કરી તે પણ હું તને આપીશ. તારા સમયમાં બીજા કોઈ રાજાને ન મળ્યાં હોય એટલાં ધન અને પ્રતિષ્ઠા આપીશ. અને તારા પિતા દાવિદની માફક તું મને આધીન થઈશ અને મારા નિયમો તથા આજ્ઞાઓ પાળીશ તો હું તને દીર્ઘાયુષ્ય આપીશ.” શલોમોન જાગી ઊઠયો, અને તેને ખબર પડી કે સ્વપ્નમાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી. પછી તે યરુશાલેમ ગયો અને પ્રભુની કરારપેટી સમક્ષ ઊભા રહીને પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા. પછી તેણે પોતાના સર્વ અધિકારીઓને મિજબાની આપી. એક દિવસે રાજા શલોમોન સમક્ષ બે વેશ્યાઓ હાજર થઈ. એકે કહ્યું, “હે રાજા, મારા માલિક, હું અને આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ. એ જ ઘરમાં મને છોકરો જન્મ્યો. મારા બાળકના જન્મના બે દિવસ પછી તેને પણ છોકરો જન્મ્યો. ઘરમાં અમે બે જ હતાં; બીજું કોઈ હાજર નહોતું. પછી એક રાત્રે તેણે ઊંઘમાં અજાણે પોતાની નીચે પોતાના છોકરાને કચડીને મારી નાખ્યો. હું રાત્રે ઊંઘતી હતી ત્યારે તેણે ઊઠીને મારી પડખેથી મારો દીકરો લઈને પોતાની પથારીમાં સુવાડયો અને મરેલો છોકરો મારી પથારીમાં મૂકી દીધો. બીજી સવારે હું જાગી ઊઠી અને મારા દીકરાને દૂધપાન કરાવવા જતી હતી ત્યારે ખબર પડી કે તે મરેલો છે. મેં તેના તરફ ધારીને જોયું તો તે મારો પુત્ર નહોતો.” પણ બીજી સ્ત્રીએ કહ્યું, “ના, ના, મરેલું બાળક તારું છે, અને જીવતું મારું છે.” એમ તેમણે રાજા સમક્ષ વાદવિવાદ કર્યો. પછી શલોમોન રાજાએ કહ્યું, “તમે બન્‍ને એમ જ કહો છો કે ‘જીવતું બાળક મારું છે અને મરેલું તારું છે.” પછી તેણે તલવાર મંગાવી. તે લાવવામાં આવી. પછી તેણે કહ્યું, “જીવતા બાળકના બે ભાગ કરો અને બન્‍નેને અડધો ભાગ આપો.” જે ખરી મા હતી તેના હૃદયમાં પોતાના બાળક પ્રત્યે પ્રેમ હોવાથી તેણે રાજાને કહ્યું, “હે રાજા, મારા માલિક, કૃપા કરીને બાળકને મારી નાખશો નહિ. એને આપી દો.” પણ બીજી સ્ત્રીએ કહ્યું, “અમને બેમાંથી કોઈને બાળક ન આપશો; તેને કાપી નાખો.” પછી શલોમોને કહ્યું, “બાળક મારી નાખશો નહિ. પ્રથમ સ્ત્રીને તે આપી દો. એ જ તેની ખરી માતા છે.” શલોમોનના ચુકાદાની જાણ થતાં ઇઝરાયલીઓના મનમાં તેના પ્રત્યે ઊંડું સન્માન પેદા થયું. કારણ, તેમને ખબર પડી કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે તેને જ્ઞાન આપ્યું છે. શલોમોન સમગ્ર ઇઝરાયલ પર રાજા હતો, અને તેના મુખ્ય અધિકારીઓ આ હતા: મુખ્ય યજ્ઞકાર: સાદોકનો પુત્ર અઝાર્યા. સચિવો: શીશાના પુત્રો અલીહોરેફ અને અહિયાલ. ઇતિહાસકાર: અહિલૂદનો પુત્ર યહોશાફાટ સેનાપતિ: યહોયાદાનો પુત્ર બનાયા. યજ્ઞકારો: સાદોક અને અબ્યાથાર. પ્રાદેશિક અધિકારીઓનો ઉપરી: નાથાનનો પુત્ર અમાર્યા. રાજાનો સલાહકાર અને મિત્ર: નાથાનનો પુત્ર ઝાબૂદ. રાજમહેલના સેવકોનો ઉપરી: અહિસાર. વેઠિયાઓનો ઉપરી: આબ્દાનો પુત્ર અદોનીરામ. શલોમોને ઇઝરાયલમાં બાર માણસોને જિલ્લા અધિકારીઓ તરીકે નીમ્યા. તેમણે તેમના જિલ્લાઓમાંથી રાજા અને તેના કુટુંબ માટે ખોરાક પૂરો પાડવાનો હતો. તેમાંના પ્રત્યેકને શિર વર્ષમાં એકએક માસની જવાબદારી હતી. બાર જિલ્લા અધિકારીઓનાં નામ અને તેમની હસ્તકના જિલ્લાઓની વિગત નીચે પ્રમાણે છે: બેન-હૂર: એફ્રાઈમનો પહાડી પ્રદેશ. બેન-દેકેર: માકાશ, શાઆલ્બીમ, બેથ-શેમેશ તથા એલોન બેથ-હાનાન નગરો. બેન-હેશેદ: અરૂબ્બોથ અને સોખો નગરો તથા હેફેરનો સમગ્ર વિસ્તાર. બેન-અબિનાદાબ: દોરનો સમગ્ર પ્રદેશ. તેણે શલોમોનની પુત્રી તાફાથ સાથે લગ્ન કર્યું હતું. અહિલૂદનો પુત્ર બાના: તાનાખ તથા મગિદ્દો નગરો, યિઝ્રએલની દક્ષિણે સારેથાન નગર નજીક બેથશાન પાસેના સમગ્ર પ્રદેશથી છેક આબેદ મહોલા અને યોકમીમ નગર સુધી. બેન-ગેબેર: રામોથ - ગિલ્યાદ નગર, મનાશ્શાના વંશજ યાઈરના કુટુંબનાં ગિલ્યાદમાં આવેલાં નગરો અને બાશાનમાં આવેલ આર્ગોબનો પ્રદેશ, જેમાં કિલ્લેબંદીવાળાં અને તાંબાના ચાપડાજડિત દરવાજાવાળા કુલ સાઠ મોટાં નગરો. ઇદ્દોનો પુત્ર અહિનાદાબ: માહનાઇમ પ્રાંત. અહિમાસ: નાફતાલીનો કુળપ્રદેશ તેણે શલોમોનની પુત્રી બાસમાથ સાથે લગ્ન કર્યું હતું. હૂશાયનો બાના: આશેરનો પ્રદેશ અને બેઆલોથ નગર. પારૂઆનો પુત્ર યહોશાફાટ: ઇસ્સાખારનો કુળપ્રદેશ. એલાનો પુત્ર શિમઈ: બિન્યામીનનો કુળપ્રદેશ. ઉરીનો પુત્ર ગેબેર: ગિલ્યાદનો પ્રદેશ. આ પ્રદેશ પર અગાઉ અમોરીઓના રાજા સિહોને અને બાશાનના રાજા ઓગે રાજ કર્યું હતું. આ બાર ઉપરાંત સમગ્ર દેશ પર એક રાજ્યપાલ હતો. યહૂદિયા અને ઇઝરાયલના લોકો સમુદ્રકિનારાની રેતી જેટલા અગણિત હતા; તેઓ ખાઈપીને આનંદ કરતા. શલોમોનના રાજ્યમાં યુફ્રેટિસ નદીથી પલિસ્તીયા અને ઇજિપ્તની સરહદ સુધીમાં આવેલાં બધાં રાજ્યોનો સમાવેશ થતો હતો. તેઓ તેને ખંડણી ભરતા અને તેના આખા જીવન દરમ્યાન તેઓ તેને આધીન રહ્યા. શલોમોનની રોજની ખોરાકી આ પ્રમાણે હતી: પાંચ હજાર લિટર મેંદો અને દસ હજાર લિટર લોટ: કોઢમાં ઉછરેલા દસ પુષ્ટ વાછરડા; બીડમાં ઉછરેલા વીસ આખલા, સો ઘેટાં; વળી, સાબર, હરણ કલિયાર અને મરઘાં. શલોમોને યુફ્રેટિસ પર આવેલા તિફસાથી છેક ગાઝા નગર સુધી એટલે યુફ્રેટિસ નદીની પશ્ર્વિમના સમગ્ર પ્રદેશ પર રાજ્ય કર્યું. યુફ્રેટિસની પશ્ર્વિમે આવેલા સર્વ રાજાઓ તેને તાબે હતા અને સર્વ પડોશી દેશો સાથે તેને શાંતિ હતી. તે જીવ્યો ત્યાં સુધી દાનથી બેરશેબા સુધી સમગ્ર યહૂદિયા અને ઇઝરાયલમાં લોકો સલામતીમાં જીવતા. પ્રત્યેક કુટુંબને પોતાની દ્રાક્ષવાડી અને અંજીરીઓ હતી. શલોમોન પાસે રથોના ઘોડાઓ માટે અને સવારી માટેના બાર હજાર ઘોડાઓ માટે ચાલીસ હજાર તબેલા હતા. રાજા શલોમોનનો અને તેના રાજમહેલમાં જમનારાઓનો ખોરાક તેના બાર અધિકારીઓ તેમને માટે નિયત કરેલ માસ પ્રમાણે પૂરો પાડતા; તેઓ જરૂરી એવી બધી વસ્તુઓ પૂરી પાડતા. રથના ઘોડાઓ અને ભારવાહક પ્રાણીઓ માટે પ્રત્યેક જિલ્લા અધિકારી પોતાને આપવાં પડતાં જવ અને ઘાસ સ્થળ પર જ પૂરું પાડતા. ઈશ્વરે શલોમોનને અતિ ગૂઢ જ્ઞાન, સૂક્ષ્મ આંતરદૃષ્ટિ અને સાગરતટના જેવી વિશાળ સમજ આપ્યાં. પૂર્વના જ્ઞાનીઓ અથવા ઇજિપ્તના જ્ઞાનીઓ કરતાં શલોમોન વિશેષ જ્ઞાની હતો. તે સર્વ માણસો કરતાં જ્ઞાની હતો: એથાન એઝ્રાહી અને માહોલના પુત્રો હેમાન, કાલ્કોલ તથા દાર્દા કરતાં પણ વિશેષ જ્ઞાની હતો. તેની કીર્તિ પડોશના સર્વ દેશોમાં ફેલાઈ ગઈ હતી. તેણે ત્રણ હજાર કહેવતો અને એક હજાર ને પાંચ ગીતોની રચના કરી હતી. લબાનોનનાં ગંધતરુથી માંડીને ભીંત પર ઊગી નીકળતા ઝુફા સુધીની સર્વ વનસ્પતિ વિષે તેણે વિવેચન કર્યું; તેણે પ્રાણીઓ, પંખીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને માછલીઓ વિષે પણ વિવેચન કર્યું. સમસ્ત દુનિયાના રાજાઓએ તેના જ્ઞાન વિષે સાંભળ્યું અને તેમણે તેનું સાંભળવા પોતાના માણસોને મોકલ્યા. તૂરનો રાજા હીરામ દાવિદનો હંમેશનો મિત્ર હતો અને શલોમોન તેના પિતા દાવિદની જગ્યાએ રાજા બન્યો છે એવું સાંળીને હીરામે તેની પાસે પોતાના એલચીઓ મોકલ્યા. શલોમોને તેની પર આવો સંદેશો પાઠવ્યો: “તમે જાણો છો કે મારા પિતા દાવિદ પોતાના ઈશ્વર પ્રભુના નામ અર્થે મંદિર બંધાવી શક્યા નહિ; કારણ, પ્રભુ તેમના સર્વ શત્રુઓને તેમના તાબામાં લાવ્યા ત્યાં સુધી પોતાની આસપાસના શત્રુ દેશો સાથે તે યુદ્ધમાં સતત રોક્યેલા હતા. પણ મારા ઈશ્વર પ્રભુએ મારી સર્વ સરહદો પર શાંતિ આપી છે, હવે કોઈ શત્રુ નથી કે હુમલાનો કોઈ ભય નથી. પ્રભુએ મારા પિતા દાવિદને આવું વચન આપ્યું હતું: ‘તારા પછી તારા જે પુત્રને હું રાજા બનાવીશ તે મારે માટે મંદિર બાંધશે.’ મેં હવે મારા ઈશ્વર પ્રભુ માટે એ મંદિર બાંધવાનો નિર્ણય કર્યો છે. તેથી મારે માટે લબાનોનમાંથી ગંધતરુ કાપવાને માણસો મોકલો. મારા માણસો તેમની સાથે કામ કરશે અને તમે નક્કી કરો તે પ્રમાણે હું તમારા માણસોનું વેતન ચૂકવીશ. તમે જાણો છો કે મારા માણસોને તમારા સિદોની માણસોના જેવી વૃક્ષ કાપવાની આવડત નથી.” શલોમોનનો સંદેશો મળતા હીરામ ખૂબ ખુશ થઈને બોલ્યો, “આ મહાન પ્રજા પર રાજ્ય કરવાને પ્રભુએ દાવિદને આવો જ્ઞાની પુત્ર આપ્યો છે તે માટે તેમની સ્તુતિ થાઓ!” પછી હીરામે શલોમોન પર આવો સંદેશો મોકલ્યો: “મને તમારો સંદેશો મળ્યો છે અને તમારી માગણી મુજબ હું ગંધતરુ અને દેવદારનાં લાકડાં પૂરાં પાડીશ. મારા માણસો લબાનોનથી સમુદ્રકિનારા સુધી લાકડાં લઈ આવશે અને ત્યાંથી તેમને તરાપા પર બાંધીને તમે નક્કી કરો તે સ્થળે સમુદ્રમાર્ગે લઈ આવશે. ત્યાં મારા માણસો તેમને છોડી દેશે અને તમારા માણસો તેમનો કબજો સંભાળી લેશે. તમે મારા માણસોને ખાદ્ય સામગ્રી પૂરી પાડો એટલી મારી માગણી છે.” આમ હીરામે શલોમોનને ગંધતરું અને દેવદારનાં જોઈતાં બધાં લાકડાં પૂરાં પાડ્યાં. અને શલોમોન હીરામને તેના માણસોના દૈનિક ખોરાક પેટે દર વર્ષે બે હજાર ટન ઘઉં અને ચાર લાખ લિટર શુદ્ધ ઓલિવ તેલ આપતો રહ્યો. પ્રભુએ પોતાનું વચન પાળ્યું અને શલોમોનને જ્ઞાન આપ્યું. હીરામ અને શલોમોન વચ્ચે સલાહસંપ હતો અને તેમણે પરસ્પર મૈત્રીનો કરાર કર્યો. શલોમોન રાજાએ સમસ્ત ઇઝરાયલમાંથી ત્રીસ હજાર વેઠિયા ઊભા કર્યા. અને અદોનીરામને તેમના પર અધિકારી ઠરાવ્યો. તેણે તેમને દસ દસ હજારના ત્રણ જૂથમાં વહેંચી નાખ્યા. તેમાંના પ્રત્યેક જૂથના માણસો એક માસ લબાનોનમાં ગાળતા અને પછીના બે માસ પાછા ઘેર રહેતા. આ ઉપરાંત શલોમોન પાસે પર્વતીય પ્રદેશની પથ્થરની ખાણોમાં કામ કરનારા એંસી હજાર હતા; તેમાંના સિત્તેર હજાર તો પથ્થરવાહકો હતા. તેમના કામની દેખરેખ માટે તેણે ત્રણ હજાર ત્રણસો મુકાદમો મૂક્યા. શલોમોન રાજાની આજ્ઞાનુસાર તેમણે મંદિર માટે ખાસ પ્રકારના મોટા પથ્થરો ખોદી કાઢયા. શલોમોન અને હીરામના કારીગરો અને બીલ્લોસ નગરના સલાટોએ મંદિરને માટે પથ્થર અને લાકડાં ઘડીને તૈયાર રાખ્યાં. ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા પછી ચારસો એંસી વરસે, શલોમોનના ઇઝરાયલ ઉપરના અમલના ચોથા વરસે, વર્ષના બીજા એટલે ઝીવ માસમાં શલોમોને મંદિર બાંધવાનું શરૂ કર્યું. શલોમોને પ્રભુ માટે બાંધેલું મંદિર અંદરથી સત્તાવીશ મીટર લાંબુ, નવ મીટર પહોળું અને સાડા તેર મીટર ઊંચું હતું. મંદિરની પરસાળ સાડાચાર મીટર લાંબી અને પવિત્રસ્થાનની પહોળાઈ જેટલી એટલે કે નવ મીટર પહોળી હતી. મંદિરની દીવાલોમાં અંદરની બાજુએ પહોળી પણ બહારની બાજુએ સાંકડી એવી બારીઓ હતી. મંદિરની ભીંતને અડીને, મંદિરની બે બાજુએ અને તેની પાછળની બાજુએ 2.2 મીટર ઊંચી એવી ત્રણ માળવાળી ઓરડીઓ હતી. ઓરડીઓ સૌથી નીચેના માળે 2.2 મીટર પહોળી, વચલા માળે 2.7 મીટર પહોળી અને સૌથી ઉપલા માળે 3.1 મીટર પહોળી હતી. પ્રત્યેક માળે મંદિરની દીવાલ તેના નીચેના માળ કરતાં સાંકડી હતી; જેથી ઓરડીના ભારટિયાઓ મંદિરની દીવાલોમાં બાકોરાં પાડીને દાખલ ન કરતાં દીવાલના ખાંચામાં ટેકવી શક્યા હતા. ખાણમાં જ ઘડેલા પથ્થરો મંદિરના બાંધકામમાં વપરાતા હતા, તેથી મંદિર બંધાતું હતું ત્યારે તેમાં હથોડીઓ, કુહાડીઓ કે અન્ય કોઈ લોખંડી ઓજારનો અવાજ થતો નહોતો. ત્રિમાળી ઓરડીઓના સૌથી નીચેના માળનું પ્રવેશદ્વાર મંદિરની દક્ષિણે હતું અને ત્યાંથી વચલા તેમ જ સૌથી ઉપલે માળે જવા માટે સીડી હતી. એમ શલોમોન રાજાએ મંદિરનું બાંધકામ પૂર્ણ કર્યું. તેણે ગંધતરુના પાટડા અને પાટિયાંની છત બનાવી. ત્રિમાળી ઓરડીઓનો પ્રત્યેક માળ 22 મીટર ઊંચો હતો. મંદિરની ત્રણ બાજુએ બાંધેલી આ ઓરડીઓ ગંધતરુના ભારટિયાથી મંદિરની દીવાલ સાથે ટેકવેલી હતી. પ્રભુએ શલોમોનને કહ્યું, “તું મારા નિયમો અને મારી આજ્ઞાઓ પાળીશ તો તારા પિતા દાવિદને આપેલા વચન પ્રમાણે હું તારા હક્કમાં કરીશ. તું જે મંદિર બાંધી રહ્યો છે તેમાં હું મારા ઇઝરાયલી લોકો મધ્યે વસીશ, અને હું તેમને કદી તજી દઈશ નહિ.” એમ શલોમોને મંદિરનું બાંધકામ પૂરું કર્યું. મંદિરની અંદરની દીવાલો પર ભોંયતળિયાથી છત સુધી ગંધતરુનાં પાટિયાં લગાવ્યાં હતાં અને ભોંયતળિયું દેવદારનાં પાટિયાંથી જડેલું હતું. મંદિરના પાછલા ભાગમાં પરમપવિત્રસ્થાન તરીકે ઓળખાતો ખંડ બાંધવામાં આવ્યો હતો. તે નવ મીટર લાંબો હતો અને ભોંયતળિયાથી છત સુધી ગંધતરુનાં પાટિયાં લગાવી અલગ પાડેલો હતો. પરમપવિત્રસ્થાનની આગળનો ખંડ અઢાર મીટર લાંબો હતો. ગંધતરુનાં પાટિયાં વેલ અને ફૂલોની કોતરણીથી શણગારેલાં હતાં. દીવાલના પથ્થરો દેખાય નહિ તે માટે અંદરનો આખોય ભાગ ગંધતરુનાં પાટિયાંથી મઢેલો હતો. પ્રભુની કરારપેટી મૂકવા માટે તેણે મંદિરની છેક અંદરની ગમ પરમ પવિત્રસ્થાનનો ખંડ બાંધ્યો. આ ખંડ નવ મીટર લાંબો, અને નવ મીટર પહોળો અને નવ મીટર ઊંચો હતો, અને આખોય ખંડ સોનાથી મઢેલો હતો. વેદી ગંધતરુનાં પાટિયાંથી મઢેલી હતી. મંદિરને તેની અંદરની બાજુએ સોનાથી મઢયું હતું. આ અંદરના ખંડનું પ્રવેશદ્વાર સોનાથી મઢયું હતું અને તેની આગળ સોનાની સાંકળો લટકાવેલી હતી. આખું મંદિર અંદરથી સોને મઢયું હતું ને પરમ પવિત્રસ્થાનની વેદી પણ સોને મઢેલી હતી. ઓલિવવૃક્ષના લાકડામાંથી પાંખોવાળા બે પ્રાણી એટલે કરુબો બનાવીને પરમપવિત્રસ્થાનમાં મૂક્યા. પ્રત્યેક કરુબની ઊંચાઈ 4.4. મીટર હતી. બન્‍ને કરુબો એક જ આકાર અને કદના હતા. દરેકને બે પાંખો હતી; પ્રત્યેક પાંખ 2.2 મીટર લાંબી હતી. જેથી એક પાંખના છેડાથી બીજી પાંખના છેડા વચ્ચેનું અંતર 4.4 મીટર હતું. *** *** તેમને પરમ-પવિત્રસ્થાનમાં પાસપાસે એ રીતે મૂક્યાં હતા કે જેથી તેમની પ્રસરેલી પાંખો ખંડની મધ્યમાં એકબીજીને સ્પર્શે અને બીજી બે પાંખો બન્‍ને તરફ દીવાલોને સ્પર્શે. એ બે પાંખવાળા કરુબો સોને મઢયા હતા. મુખ્યખંડની તેમ જ અંદરના ખંડની બધી દીવાલો પાંખોવાળા કરુબો, ખજૂરીઓ અને ફૂલોની કોતરણીથી શણગારેલી હતી. ભોંયતળિયું પણ સોને મઢયું હતું. પરમપવિત્રસ્થાનમાં પ્રવેશદ્વારનાં બે કમાડો ઓલિવવૃક્ષના લાકડામાંથી બનાવેલા હતાં. પ્રવેશદ્વાર પંચકોણ આકારનું હતું; એટલે કે તેની ઉપરના ભાગમાં અણીદાર કમાન હતી. કમાડો, પાંખોવાળા પ્રાણી, કરુબો, ખજૂરીઓ અને ફૂલો સોને મઢયાં હતાં. મુખ્યખંડના પ્રવેશદ્વાર માટે ઓલિવવૃક્ષના લાકડામાંથી બારણાનું લંબચોરસ ચોકઠું બનાવેલું હતું. દેવદારના લાકડામાંથી બનાવેલા બન્‍ને કમાડમાં બબ્બે મિજાગરે જોડેલા બે ભાગ હતા. એના પર પાંખોવાળાં પ્રાણી કરુબો, ખજૂરીઓ અને ફૂલો કોતરેલા હતાં અને એ નકશીકામ સોનાથી બંધબેસતું મઢેલું હતું. મંદિરની આગળ પરસાળ બનાવી હતી. પરસાળની ચારેબાજુની દીવાલમાં પથ્થરના ત્રણ થર અને એક થર ગંધતરુના લાકડાનો હતો. શલોમોનના અમલના ચોથા વર્ષે વર્ષના બીજા માસમાં એટલે ઝીવ માસમાં મંદિરનો પાયો નાખવામાં આવ્યો હતો. શલોમોન રાજાના અમલના અગિયારમે વર્ષે, આઠમા એટલે બુલ માસમાં, અગાઉ કરેલા આયોજિત નમૂના પ્રમાણે જ મંદિર પૂરું થયું. શલોમોનને એ બાંધતાં સાત વર્ષ લાગ્યાં. શલોમોને પોતાને માટે એક મહેલ પણ બાંધ્યો, અને એ બાંધતાં તેને તેર વર્ષ લાગ્યાં. તેમાં લબાનોનનો વનખંડ ચુમ્માલીસ મીટર લાંબો, બાવીસ મીટર પહોળો અને સાડાતેર મીટર ઊંચો હતો. પ્રત્યેક હારમાં પંદર થાંભલા હોય એવી ગંધતરુના થાંભલાની ચાર હારો હતી અને તેમના પર ગંધતરુનાં ભારટિયાં હતાં થાંભલા પર ગંધતરુના લાકડાની છત હતી અને એ છત ભંડારો સુધી પ્રસરેલી હતી. *** બન્‍ને બાજુની ભીંતોમાં સામસામી બારીઓની ત્રણ ત્રણ હાર હતી. બધાં બારણાં અને બારીઓનાં ચોકઠા લંબચોરસ હતાં અને બન્‍ને ભીંતની બારીઓની ત્રણ ત્રણ હારો એકબીજાની બરાબર સામસામી હતી. વળી, તેણે થાંભલાઓ પર ઓસરી બનાવી; એની લંબાઈ બાવીસ મીટર અને પહોળાઈ સાડા તેર મીટર તી. એ ઓસરીના આગળના થાંભલાઓ પર છજું ઉતારેલું હતું. રાજ્યાસન ખંડ, જેને ન્યાયખંડ પણ કહેતા અને જ્યાં શલોમોન કેસના ચુકાદા આપતો, તે આખો ખંડ ભોંયતળિયાથી છત સુધી ગંધતરુના પાટિયાંથી મઢેલો હતો. ન્યાયખંડની પાછળના ચોકમાં શલોમોનને પોતાને રહેવાના ઓરડા અન્ય ખંડો જેવા જ હતા. પોતાની પત્ની, ઇજિપ્તના રાજાની પુત્રી માટે પણ તેણે એવું જ નિવાસસ્થાન બનાવ્યું. મોટા ચોક સહિતનાં આ બધાં મકાનો પાયાથી છેક છત સુધી મૂલ્યવાન પથ્થરોથી બનાવેલાં હતાં. પથ્થરો માપ પ્રમાણે કાપીને ખાણમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમની બહારની અને અંદરની બાજુઓ કરવતથી સપાટ બનાવેલી હતી. ખાણમાં તૈયાર કરેલા મોટા પથ્થરોથી પાયા બનાવ્યા હતા; એમાંના કેટલાક પથ્થર સાડા ત્રણ મીટર તો કેટલાક ચાર મીટર લાંબા હતા. એમના પર માપસર કાપેલા બીજા કીમતી પથ્થરો અને ગંધતરુના ભારટિયા હતા. મહેલનો ચોક, પ્રભુના મંદિરનો અંદરનો ચોક અને મંદિરના પ્રવેશખંડની ભીંતોમાં કાપેલા પથ્થરોના પ્રત્યેક ત્રણ થર પછી એક થર ગંધતરુના ભારોટિયાનો હતો. શલોમોન રાજાએ તૂરમાં રહેતા હુરામ નામના કારીગરને બોલાવડાવ્યો. તે તાંબાના કામમાં કુશળ હતો. તેનો પિતા પણ તૂરનો હતો ને તાંબાના કામનો કુશળ કારીગર હતો. તે ત્યારે હયાત નહોતો. તેની માતા નાફતાલીના કુળની હતી. હુરામ બુદ્ધિશાળી અને અનુભવી કારીગર હતી. તાંબાના સર્વ કામની જવાબદારી ઉપાડવા તે શલોમોન રાજા પાસે આવ્યો. હુરામે 8 મીટર ઊંચા અને 5.3 મીટર પરિઘવાળા તાંબાના બે સ્તંભ ઢાળ્યા અને તેમને મંદિરના પ્રવેશદ્વારે ઊભા કર્યા. તેણે સ્તંભની ટોચે મૂકવા માટે 2.2 મીટર ઊંચા એવા તાંબાના બે કળશ પણ બનાવ્યા. પ્રત્યેક સ્તંભની ટોચ પર સાંકળીની સળંગ ભાત કોતરેલી હતી. અને સાથે તાંબાનાં દાડમની બે હારો પણ હતી. કળશનો આકાર પોયણા જેવો હતો અને તેમની ઊંચાઈ 1.8 મીટર હતી. સાંકળીની ભાત ઉપરના ગોળાકારી ભાગ પર તે ગોઠવેલા હતા. પ્રત્યેક કળશની ફરતે બે હારમાં બસો દાડમ હતાં. હુરામે મંદિરના પ્રવેશદ્વારે એ બન્‍ને તામ્રસ્તંભ ઊભા કર્યા. દક્ષિણ તરફના સ્તંભનું નામ યાખીન અને ઉત્તર તરફના સ્તંભનું નામ બોઆઝ પાડયું. પોયણા આકારના તાંબાના બે કળશો સ્તંભની ટોચ પર હતા. એમ સ્તંભોનું કામ પૂરું થયું. હુરામે 2.2 મીટર ઊંડો, 4.4 મીટરના વ્યાસવાળો અને 13.2 મીટર પરિધનો તાંબાનો ગોળ જળકુંડ બનાવ્યો. જળકુંડની ધારની બહારની ગોળાકાર કિનારીએ ચારે તરફ તાંબાનાં તૂમડાંની બે હાર હતી; જે સમગ્ર જળકુંડની સાથોસાથ જ ઢાળેલાં હતાં. બહિર્મુખી એવા બાર તાંબાના બળદોની પીઠ પર જળકુંડ રાખેલો હતો; પ્રત્યેક દિશામાં ત્રણ ત્રણ બળદના મુખ હતાં. જળકુંડની બાજુઓ 75 મીલિમીટર જાડી હતી. પોયણાંની પાંખડી જેમ બહારની તરફ વળેલી પ્યાલાની ધાર જેવી જળકુંડ ધાર હતી. જળકુંડમાં લગભગ ચાલીસ હજાર લીટર પાણી સમાતું. હુરામે તાંબાની દસ જળગાડીઓ બનાવી. દરેક જળગાડી 1.8 મીટર લાંબી, 1.8 મીટર પહોળી અને 1.3 મીટર ઊંચી હતી. તે ચોકઠાંમાં ચોરસ તક્તીઓ જડીને બનાવી હતી. તક્તીઓ પર સિંહ, આખલા અને કરુબોની આકૃતિઓ હતી. વળી, સિંહો અને આખલા ઉપર તથા નીચે ચોકઠા પર તોરણની ભાત કોતરેલી હતી. દરેક જળગાડીને તાંબાની ધરીઓ પર તાંબાનાં ચાર ચાર પૈડાં હતાં. જળકુંડી માટે ચાર ખૂણે ટેકા ગોઠવ્યા હતા. એ ટેકા પર તોરણની ભાત કોતરેલી હતી. જળકુંડી ગોઠવવા મથાળે વર્તુળાકાર આસન હતું. જળકુંડી જળગાડીની ટોચથી પિસ્તાળીસ સેન્ટીમીટર ઉપર અને અઢાર સેન્ટીમીટર તેની અંદર ગોઠવાયેલી હતી. તેને ફરતે કોતરણી હતી. પૈડાં છાસઠ સેન્ટીમીટર ઊંચાં હતાં. તે તક્તીઓની નીચે હતાં. ધરીઓ જળગાડી સાથે અખંડ જોડેલી હતી. તેનાં પૈડાં રથનાં પૈડાં જેવા હતાં. તેમની ધરીઓ, વાટો, આરાઓ અને નાભિ ચક્કરો તાંબાના હતાં. પ્રત્યેક જળગાડીના તળિયાના ખૂણાઓએ ચાર હાથ હતા અને તે જળગાડીની સાથે અખંડ જોડેલા હતા. પ્રત્યેક જળગાડીની ટોચે બાવીસ સેન્ટીમીટરનો ગોળ પટો હતો. તેના હાથા અને તક્તીઓ જોડેલાં હતાં. હાથા અને તક્તીઓ પર જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં ત્યાં ચારે બાજુ કરુબો, સિંહો અને ખજૂરીઓ તથા સાંકળીની ભાત કોતરેલાં હતાં. એ રીતે જળગાડીઓ બનાવેલી હતી; એ બધી એક્સરખા કદ અને આકારની હતી. હુરામે દરેક જળગાડી માટે એક એમ તાંબાની દસ જળકુંડીઓ પણ બનાવી. પ્રત્યેક જળકુંડી 1.8 મીટર વ્યાસની હતી અને આઠસો લિટરની ક્ષમતા ધરાવતી હતી. તેણે પાંચ જળગાડીઓ મંદિરની દક્ષિણ તરફ અને બીજી પાંચ ઉત્તર તરફ મૂકી, જ્યારે જળકુંડ અગ્નિખૂણામાં મૂક્યો. હુરામે ભસ્મપાત્રો, પાવડા અને પ્યાલા બનાવ્યાં. પ્રભુના મંદિરને માટે શલોમોન રાજાને સોંપેલું પોતાનું બધું કામ તેણે પૂરું કર્યું. તેણે બનાવેલ સામગ્રી આ પ્રમાણે છે: બે સ્તંભ સ્તંભની ટોચ ઉપર પ્યાલા આકારના બે કળશ પ્રત્યેક કળશ પર એકબીજીને વીંટળાયેલ સાંકળીની ભાતની કોતરણી પ્રત્યેક કળશની ફરતે ભાતની કોતરણીમાં દરેક હારમાં સો એમ બે હારમાં ગોઠવેલાં તાંબાનાં ચારસો દાડમ. દસ જળકુંડીઓ જળકુંડ, જળકુંડ મૂકવા માટે બાર આખલા ભસ્મપાત્રો, પાવડા, પ્યાલા. શલોમોન રાજા માટે હુરામે બનાવેલ મંદિરની એ બધી સામગ્રી ચકચકિત કરેલ તાંબામાંથી બનાવી હતી. *** *** *** *** *** યર્દનની ખીણમાં સુક્કોથ અને સારથાન વચ્ચે આવેલ ધાતુ ગાળવાની ભઠ્ઠીમાં એ બધી સામગ્રી રાજાએ બનાવડાવી. તાંબાની એ સાધનસામગ્રી એટલી બધી હતી કે તેમનું વજન કરવામાં આવ્યું નહોતું. તેથી તેમનું કેટલું વજન છે એ નક્કી થયેલું નહોતું. શલોમોને પ્રભુના મંદિર માટે સોનાની સાધનસામગ્રી પણ બનાવી હતી: વેદી, ઈશ્વરને અર્પિત રોટલી માટેની મેજ, પરમપવિત્રસ્થાનમાં પાંચ દક્ષિણ તરફ અને પાંચ ઉત્તર તરફ રાખેલી દસ દીવીઓ, ફૂલો, દીવાઓ અને ચીપિયા, પ્યાલા, જ્યોત બૂઝાવવાનાં સાધનો, કટોરા, ધૂપદાનીઓ, અંગારા ઊંટકવાના પાવડા અને પરમપવિત્રસ્થાનનાં દ્વાર તથા મંદિરનાં બહારનાં દ્વારનાં મિજાગરા એ બધી વસ્તુઓ સોનાની બનાવેલી હતી. શલોમોન રાજાએ પ્રભુના મંદિરનું સઘળું કામ સમાપ્ત કર્યું. એટલે તેના પિતા દાવિદે પ્રભુને અર્પેલાં ચાંદી, સોનું અને અન્ય ચીજવસ્તુઓ લાવીને મંદિરના ભંડારોમાં મૂકી. પછી શલોમોન રાજાએ દાવિદના નગર સિયોનમાંથી પ્રભુની કરારપેટી મંદિરમાં લાવવા માટે ઇઝરાયલનાં બધાં કુળો અને ગોત્રોના આગેવાનોને યરુશાલેમમાં બોલાવ્યા. તેઓ સૌ એનાથીમ એટલે સાતમા માસમાં માંડવાપર્વ વખતે એકઠા થયા. બધા આગેવાનો એકત્ર થયા એટલે યજ્ઞકારોએ કરારપેટી ઉપાડી, અને તેને મંદિરમાં લાવ્યા. લેવીઓ અને યજ્ઞકારો મુલાકાતમંડપ અને તેની સર્વ સાધનસામગ્રી મંદિરમાં લઈ આવ્યા. શલોમોન રાજા અને ઇઝરાયલના બધા લોકો કરારપેટી આગળ એકઠા થયા અને અગણિત એટલાં ઘેટાં અને પશુઓનાં બલિદાન આપ્યાં. પછી યજ્ઞકારોએ કરારપેટી ઉપાડીને મંદિરમાં પરમ પવિત્રસ્થાનમાં કરુબોની વચમાં તેમની પાંખો નીચે મૂકી. કરુબોની પ્રસારેલી પાંખો હેઠળ કરારપેટી અને તેને ઊંચકવાના દાંડા આવરી લેવાતા હતા. દાંડા લાંબા હોવાથી તેના છેડા બીજા કોઈ સ્થળેથી નહિ, પણ માત્ર પરમપવિત્રસ્થાનની બરાબર સામેથી જ દેખી શક્તા હતા. (આજે પણ એ દાંડા ત્યાં છે.) ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી આવી રહ્યા હતા ત્યારે પ્રભુએ તેમની સાથે કરેલા કરારની જે બે શિલાપાટીઓ મોશેએ સિનાઈ પર્વત પાસે કરારપેટીમાં મૂકી હતી તે સિવાય કરારપેટીમાં બીજું કંઈ નહોતું. યજ્ઞકારો મંદિરમાંથી બહાર આવ્યા કે મંદિર એકાએક મેઘથી ભરાઈ ગયું. મેઘને લીધે યજ્ઞકારો ત્યાં અંદર જઈને પોતાનું સેવાકાર્ય ચાલુ રાખી શક્યા નહિ; કારણ, પ્રભુનો મહિમા મંદિરમાં વ્યાપી ગયો હતો. શલોમોને પ્રાર્થના કરી: “હે પ્રભુ, તમે આકાશમાં સૂર્ય મૂક્યો છે, છતાં તમે વાદળામાં અને અંધકારમાં રહેવાનું પસંદ કર્યું છે. મેં તમારા સદાના નિવાસસ્થાન માટે હવે આ ભવ્ય મંદિર બાંધ્યું છે.” ઇઝરાયલી લોકો ઊભા હતા અને શલોમોન રાજાએ તેમના તરફ ફરીને તેમના પર ઈશ્વરની આશિષ માગી. તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. તેમણે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું, છે. તેમણે એમ કહ્યું હતું કે, ‘મારા લોક ઇઝરાયલને હું ઇજિપ્તમાંથી લઈ આવ્યો તે સમયથી માંડીને મારે નામે મારી ભક્તિ માટે મંદિર બાંધવા માટે સમગ્ર ઇઝરાયલ દેશમાંથી મેં કોઈ શહેર પસંદ કર્યું નથી. પણ હે દાવિદ, મેં તને મારા લોક પર રાજ કરવા પસંદ કર્યો છે.” શલોમોને આગળ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે તેમની ભક્તિ માટે મંદિર બાંધવાની મારા પિતા દાવિદના અંતરની ઝંખના હતી. પણ પ્રભુએ તેમને કહ્યું હતું, ‘મારે નામે મારી ભક્તિ કરવા માટે મંદિર બાંધવાની તારી ઇચ્છા તો સારી છે, પણ તું તે બાંધી શકશે નહિ, એ તો તારો પુત્ર, તારો પોતાનો પુત્ર જ મારું મંદિર બાંધશે.” હવે પ્રભુએ પોતાનું વચન પાળ્યું છે. મારા પિતા પછી હું ઇઝરાયલનો રાજા બન્યો છું અને મેં ઇઝરાયલના ઈશ્વર યાહવેને નામે તેમની ભક્તિ અર્થે મંદિર બાંધ્યું છે. આપણા પૂર્વજોને પ્રભુએ ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારે તેમણે તેમની સાથે જે કરાર કર્યો હતો તેની શિલાપાટીઓ કરારપેટીમાં છે અને કરારપેટી માટે મેં મંદિરમાં સ્થાન તૈયાર કર્યું છે. પછી ઇઝરાયલના સર્વ લોકો સમક્ષ શલોમોન વેદી પાસે ઊભો રહ્યો અને આકાશ તરફ હાથ પ્રસારી પ્રાર્થના કરી: “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર તમારા જેવો કોઈ દેવ જ નથી. તમે તમારા લોકો સાથે કરેલો કરાર પાળો છો અને તેઓ તમારા પ્રત્યે દયની પૂરી નિષ્ઠા ધરાવે છે ત્યારે તેમના પ્રત્યે તમારો પ્રેમ દર્શાવો છો. તમે તમારા સેવક મારા પિતા દાવિદને આપેલું તમારા મુખનું વચન પાળ્યું છે; આજે તમારા હાથે એ અક્ષરસ: પૂર્ણ થયું છે. હવે હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે તમારા સેવક મારા પિતાને આપેલું બીજું વચન પણ પૂર્ણ કરો એવી મારી પ્રાર્થના છે. તમે તેમને કહ્યું હતું કે તેમની જેમ તેમના વંશજ તમને ખંતથી આધીન રહેશે તો તેમના વંશમાંથી તમારી સમક્ષ ઇઝરાયલના રાજ્યાસન પર રાજા તરીકે બેસનારની ખોટ વર્તાશે નહિ. તો ઓ ઇઝરાયલના ઈશ્વર, તમે તમારા સેવક મારા પિતા દાવિદને આપેલું એ વચન પૂરું થાય તેમ કરો.” “પણ હે ઈશ્વર, શું તમે પૃથ્વી પર સાચેસાચ નિવાસ કરી શકો? બધાં આકાશો પણ તમારો સમાવેશ કરી શકે તેમ નથી, તો પછી મેં બાંધેલા આ મંદિરમાં તમારો કેવી રીતે સમાવેશ થાય? હે પ્રભુ, મારા ઈશ્વર, હું તમારો સેવક છું. મારી પ્રાર્થના સાંભળો અને મારી આજની અરજો પૂરી કરો. આ મંદિરનું, એટલે તમારે નામે તમારી ભક્તિને અર્થે તમે પસંદ કરેલા આ સ્થળનું રાતદિવસ લક્ષ રાખો. આ મંદિર તરફ મુખ રાખી પ્રાર્થના કરું છું ત્યારે મારું સાંભળો. મારી પ્રાર્થનાઓ અને તમારા લોક આ સ્થળ તરફ મુખ રાખી પ્રાર્થના કરે ત્યારે તેમની પ્રાર્થનાઓ સાંભળો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી અમારું સાંભળો અને અમને ક્ષમા કરો. “જ્યારે કોઈ વ્યક્તિ પર બીજા કોઈનું નુક્સાન કર્યાનો આરોપ હોય અને પોતે નિર્દોષ છે એવા શપથ લેવા તેને આ મંદિરમાં તમારી વેદી આગળ લાવવામાં આવે, ત્યારે, ઓ પ્રભુ, આકાશમાંથી તે સાંભળીને તમારા સેવકોનો ન્યાય કરજો; દોષિતને ઘટિત શિક્ષા કરજો અને નિરપરાધીને નિર્દોષ જાહેર કરજો. “તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે તમારા ઇઝરાયલી લોક તેમના શત્રુઓ આગળ હારી જાય અને ત્યારે તમારા તરફ ફરીને તેઓ આ મંદિરમાં આવે અને તમારે નામે નમ્રતાપૂર્વક ક્ષમાયાચના કરે તો આકાશમાંથી તમે તેમનું સાંભળજો. તમારા લોકનાં પાપ ક્ષમા કરજો અને તમે તેમના પૂર્વજોને આપેલા આ દેશમાં તેમને પાછા લાવજો. “તમારા લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું હોવાથી તમે આકાશમાંથી વરસાદ વરસવા ન દો અને ત્યારે જો તેઓ પસ્તાવો કરીને તમારે નામે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરતાં આ મંદિર તરફ ફરે, તો આકાશમાંથી તમે તેમનું સાંભળજો. રાજાનાં તેમ જ ઇઝરાયલ લોકનાં પાપ ક્ષમા કરજો. તેમને સદાચરણ શીખવજો. પછી, ઓ પ્રભુ, કાયમી વતન તરીકે તમે તમારા લોકને આપેલા તમારા આ દેશ પર વરસાદ વરસાવજો. “દેશમાં દુકાળ પડે, રોગચાળો ફાટી નીકળે અથવા લૂ કે તીડોનાં ટોળાંથી પાક નાશ પામે અથવા તમારા લોક પર તેમના શત્રુઓ આક્રમણ કરીને ઘેરો ઘાલે અથવા તેમનામાં કોઈ રોગ કે માંદગી આવે તો તેમની પ્રાર્થનાઓ સાંભળજો. “તમારા ઇઝરાયલ લોકમાંથી કોઈ પણ દિલમાં દુ:ખી થવાથી આ મંદિર તરફ હાથ પ્રસારી પ્રાર્થના કરે, ત્યારે તમે તેમની પ્રાર્થના સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તમે તેમનું સાંભળજો, તેમને ક્ષમા કરજો અને સહાય કરજો. છેવટે માનવના મનનું દુ:ખ તો માત્ર તમે જ જાણો છો. દરેક વ્યક્તિ પ્રત્યે તેની યોગ્યતા પ્રમાણે તમે વર્તજો; જેથી તમારા લોક તમે તેમના પૂર્વજોને આપેલા દેશમાં રહે તે બધો સમય તમને આધીન રહે. “દૂર દેશમાં વસતો કોઈ વિદેશી તમારી કીર્તિ અને તમારા લોક માટેનાં તમારાં મહાન કાર્યો વિષે સાંભળીને તમારે નામે તમારું ભજન કરવા અને આ મંદિરમાં પ્રાર્થના કરવા આવે, *** તો તમે તેની પ્રાર્થના સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તેનું સાંભળીને તેની માગણી પૂરી કરજો, જેથી દુનિયાના બધા લોકો તમારો પરિચય પામે અને તમારા લોક ઇઝરાયલની જેમ તેઓ પણ તમને આધીન થાય. ત્યારે તેઓ જાણશે કે મેં બાંધેલું આ મંદિર જ તમારે નામે તમારી ભક્તિ કરવાનું સ્થાન છે. “તમે તમારા લોકને તેમના શત્રુઓ સામે યુદ્ધમાં જવાનો આદેશ આપો ત્યારે તેઓ જ્યાં હોય ત્યાંથી તમે પસંદ કરેલા આ નગર તરફ અને તમારે માટે મેં બાંધેલા આ મંદિર તરફ મુખ રાખી તમને પ્રાર્થના કરે, તો હે પ્રભુ, તેમની પ્રાર્થના સાંભળજો. આકાશમાંથી તેમનું સાંભળીને તેમને વિજય અપાવજો. “તમારા લોક તમારી વિરુદ્ધ પાપ કરે, અને પાપ કરે જ નહિ એવું કોઈ નથી; અને તમે તમારા કોપમાં તેમને તેમના શત્રુઓ સામે હાર પમાડો અને તેઓ તેમને કેદી બનાવી બીજા દેશમાં લઈ જાય, અને આ દેશ નજીક હોય કે ઘણો દૂર હોય. તો પણ તમે તમારા લોકની પ્રાર્થનાઓ સાંભળજો. એ દેશમાં તેઓ પોતે કેવા પાપી અને દુષ્ટ બન્યા એવી કબૂલાત કરતાં પસ્તાવો કરે અને તમને પ્રાર્થના કરે, તો હે પ્રભુ, તમે તેમની પ્રાર્થનાઓ સાંભળજો. તેઓ એ દેશમાં રહેતાં સાચો અને નિખાલસ પસ્તાવો કરે અને અમારા પૂર્વજોને તમે આપેલ આ દેશ તરફ, તમે પસંદ કરેલા આ શહેર તરફ અને તમારે માટે મેં બાંધેલા આ મંદિર તરફ ફરી પ્રાર્થના કરે, તો તમે તેમની પ્રાર્થનાઓ સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તેમનું સાંભળજો અને તેમના પક્ષની હિમાયત કરજો. તેમનાં પાપ અને તમારી વિરુદ્ધના તેમના બંડની ક્ષમા બક્ષજો, અને તેમને કેદી બનાવી જનાર શત્રુઓ તેમના પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વર્તે એવું થવા દેજો. કારણ, આ તો તમે જેમને લોખંડ તપાવવાની ભઠ્ઠીમાંથી એટલે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા તે તમારા વારસાસમ લોક છે. “હે પ્રભુ પરમેશ્વર, તમારા લોક ઇઝરાયલ અને તેમના રાજા પ્રત્યે હરહંમેશ સહાનુભૂતિ રાખજો અને તમને મદદ માટે પોકાર કરે ત્યારે તેમની પ્રાર્થના સાંભળજો. તમારા પૂર્વજોને તમે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારે તમારા સેવક મોશે દ્વારા તમે તેમને કહ્યું હતું તેમ બીજી બધી પ્રજાઓમાંથી તમે તેમને તમારા વારસાસમ લોક થવા પસંદ કર્યા છે.” પ્રભુને પ્રાર્થના અને યાચના કરી રહ્યા પછી શલોમોન વેદી આગળ જ્યાં તે હાથ ઊંચા પ્રસારી ઘૂંટણિયે પડ્યો હતો ત્યાંથી ઊભો થયો. તેણે બુલંદ અવાજે ત્યાં એકત્ર થયેલા ઇઝરાયલના સર્વ લોકો પર ઈશ્વરની આશિષ માગી. તેણે કહ્યું: “પોતાના વચન પ્રમાણે પોતાના લોકને શાંતિ બક્ષનાર પ્રભુની સ્તુતિ થાઓ. પોતાના સેવક મોશે દ્વારા આપેલાં સર્વ ઉદાર વચનો તેમણે અક્ષરસ:પૂરાં કર્યાં છે. ઈશ્વર આપણા પ્રભુ જેમ તે આપણા પૂર્વજોની સાથે રહ્યા તેમ આપણી સાથે પણ રહો. તે આપણો ત્યાગ ન કરો ને આપણને તજી ન દો; તે આપણને તેમના પ્રત્યેની હાર્દિક નિષ્ઠામાં દોરી જાઓ; જેથી આપણે તેમને માર્ગે અનુસરીએ અને આપણા પૂર્વજોને આપેલા સર્વ નિયમો અને આજ્ઞાઓનું પાલન કરીએ. મારી આ પ્રાર્થના અને મેં ગુજારેલી આ વિનંતીઓ આપણા ઈશ્વર પ્રભુ સદા સ્મરણમાં રાખો અને રોજબરોજની જરૂરિયાત પ્રમાણે પોતાના લોક ઇઝરાયલનું અને તેમના રાજાનું હિત જાળવી રાખો. ત્યારે દુનિયાની બધી પ્રજાઓ જાણશે કે માત્ર યાહવે જ ઈશ્વર છે અને બીજો કોઈ નથી. તમે તેમના લોક તેમના સર્વ નિયમો અને આજ્ઞાઓને જેમ આજે આધીન છો તેમ આધીન રહીને આપણા ઈશ્વર પ્રભુ પ્રત્યે દયની પૂરી નિષ્ઠા દાખવો.” પછી શલોમોન રાજા અને સર્વ લોકોએ પ્રભુને બલિદાનો ચઢાવ્યાં. તેણે સંગતબલિ તરીકે બાવીસ હજાર આખલા અને એક લાખ વીસ હજાર ઘેટાંનું બલિદાન આપ્યું અને એમ રાજા અને સર્વ લોકોએ મંદિરનું સમર્પણ કર્યું. તેણે તે જ દિવસે મંદિરના પ્રાંગણમાંના ચોકનો મધ્યભાગ પવિત્ર કર્યો; અને પછી ત્યાં પૂર્ણ દહનબલિ ધાન્યઅર્પણ અને સંગતબલિ માટે પ્રાણીઓની ચરબીનું અર્પણ ચઢાવ્યું. આ બધાં બલિદાનો માટે તામ્રવેદી નાની હોવાથી તેણે તેમ કર્યું. પ્રભુના મંદિરમાં શલોમોન અને ઇઝરાયલના બધા લોકોએ સાત દિવસ સુધી માંડવાપર્વ ઊજવ્યું. ઉત્તરમાં હમાથના ઘાટથી માંડીને દક્ષિણે ઇજિપ્તની સરહદ સુધીના પ્રદેશમાંથી મોટો જનસમુદાય આવેલો હતો. આઠમે દિવસે શલોમોને લોકોને ઘેર વિદાય કર્યાં. સૌએ તેની પ્રશંસા કરી અને પોતાના સેવક દાવિદને અને તેના ઇઝરાયલી લોકને પ્રભુએ આપેલા સઘળા આશીર્વાદોને લીધે તેઓ ખુશખુશાલ થઈને પોતપોતાને ઘેર ગયા. શલોમોન રાજાએ પ્રભુનું મંદિર, તેનો રાજમહેલ અને તેને જે કંઈ બાંધવાની ઇચ્છા હતી તે બધાંનું બાંધકામ પૂરું કર્યું તે પછી, પ્રભુએ તેને અગાઉ ગિબ્યોનમાં આપ્યું હતું તેમ ફરીથી દર્શન આપ્યું. પ્રભુએ તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના અને તારા કાલાવાલા સાંભળ્યા છે. મારે નામે મારી ભક્તિ કરવા સદાના સ્થાન તરીકે તેં બાંધેલા આ મંદિરને મેં પવિત્ર કર્યું છે. હું તેનું હરહંમેશ લક્ષ રાખીશ અને તેનું રક્ષણ કરીશ. જો તું તારા પિતા દાવિદની જેમ દયની પ્રામાણિક્તાથી અને નેકીથી મારા નિયમો પાળીશ અને મારાં ફરમાનો પ્રમાણે વર્તીશ, તો હું ઇઝરાયલનું રાજ્ય સ્થિર કરીશ અને મેં તારા પિતા દાવિદને જે વચન આપ્યું હતું કે ઇઝરાયલ પર હંમેશા તેના વંશજો જ રાજ કરશે તે વચન હું પૂર્ણ કરીશ. પણ તું કે તારા વંશજો મને અનુસરવાનું પડતું મૂકશો, અને તમને ફરમાવેલા મારા નિયમો અને ધારાઓનો ભંગ કરશો, અને અન્ય દેવોની ભક્તિ કરશો, તો હું મારા ઇઝરાયલ લોકને મેં તેમને આપેલા દેશમાંથી હાંકી કાઢીશ. મારે નામે મારી ભક્તિ કરવા સદાના સ્થાન તરીકે પવિત્ર કરેલા આ મંદિર પરથી મારી દૃષ્ટિ ફેરવી લઈશ. ઇઝરાયલી લોકો અન્ય સર્વ લોકોમાં ઠઠ્ઠામશ્કરી અને તિરસ્કારને પાત્ર બની જશે. આ બુલંદ મંદિર ખંડિયેર બની જશે અને તેની પાસે થઈને જનારા આશ્ર્વર્ય અને આઘાત અનુભવશે. તેઓ પૂછશે, ‘પ્રભુએ આ દેશની અને આ મંદિરની આવી દશા કેમ કરી?’ લોકો જવાબ આપશે, ‘એનું કારણ એ છે કે તેમણે તેમના પૂર્વજોને ઇજિપ્તમાં મુક્ત કરનાર પ્રભુ તેમના ઈશ્વરનો ત્યાગ કર્યો છે. તેમણે અન્ય દેવો પ્રત્યે વફાદારી દાખવી તેમની પૂજા કરી છે. તેથી પ્રભુએ તેમના પર આ આફત ઉતારી છે.” પ્રભુનું મંદિર અને રાજમહેલ બાંધતાં શલોમોનને વીસ વર્ષ લાગ્યાં. તૂરના રાજા હિરામે તેને ગંધતરું અને દેવદારનાં લાકડાં તેમ જ આ કાર્ય માટે જરૂરી સોનું પૂરાં પાડ્યાં હતાં. એ બધું બાંધકામ પૂરું થયા પછી શલોમોન રાજાએ હિરામને ગાલીલ પ્રદેશમાં વીસ નગરો આપ્યાં. હિરામ તે જોવા ગયો, પણ તેને તે ગમ્યાં નહિ. તેથી તેણે શલોમોનને કહ્યું, “મારા ભાઈ, તમે મને આવાં નગરો આપ્યાં!” એને લીધે એ વિસ્તાર આજે પણ કાબુલ કહેવાય છે. હિરામે શલોમોનને ચાર હજાર કિલો કરતાં વધુ સોનું આપ્યું હતું. શલોમોન રાજાએ પ્રભુનું મંદિર અને રાજમહેલ બાંધવા, યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરવા અને નગરનો કોટ બાંધવા વેઠિયાઓનો ઉપયોગ કર્યો. તેણે તેમનો ઉપયોગ હાસોર, મગિદ્દો અને ગેઝેર નગરો બાંધવામાં પણ કર્યો. (ઇજિપ્તના રાજાએ ગેઝેર પર હુમલો કરી તેને જીતી લીધું હતું અને તેના રહેવાસીઓને મારી નાખી નગરને આગ લગાડી હતી. પછી તેની પુત્રીએ જ્યારે શલોમોન સાથે લગ્ન કર્યાં ત્યારે તેણે તે નગર તેને લગ્નમાં ભેટ તરીકે આપ્યું હતું. વળી, શલોમોને તેને ફરીથી બંધાવ્યું.) શલોમોને વેઠિયાઓ પાસે નીચાણનું બેથહોરોન, બાલાથ, યહૂદિયાના વેરાનપ્રદેશમાં આવેલ તામાર, તેમ જ પોતાનાં સર્વ પૂરવઠા નગરો, ઘોડાઓ અને રથો રાખવાનાં નગરો, યરુશાલેમ, લબાનોન, તથા પોતાના રાજ્યમાં તેણે બાંધવા ધારેલાં બધાં બાંધકામ કરાવ્યાં. ઇઝરાયલીઓએ કનાનના લોકોનો દેશ લઇ લીધો, ત્યારે જેમને મારી નાખ્યા નહોતા એવા કનાનના લોકો, એટલે અમોરીઓ, હિત્તીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ એ સર્વના વંશજોને શલોમોને વેઠિયા બનાવ્યા; કારણ, તેઓ ઇઝરાયલી નહોતા અને આજદિન લગી તેમના વંશજો ગુલામો તરીકે રહ્યાં છે. *** શલોમોને ઇઝરાયલીઓમાંથી ગુલામો બનાવ્યા નહિ. તેઓ તો સૈનિકો, અમલદારો, સેનાપતિઓ, રથસવારો અને ઘોડેસ્વારો તરીકે કામ કરતા. શલોમોનનાં જુદાં જુદાં બાંધકામો પર કામ કરતાં વેઠિયાઓ પર પાંચસો પચાસ અમલદારો હતા. ઇજિપ્તના રાજાની દીકરી શલોમોનની પત્ની દાવિદનગરમાંથી શલોમોને તેને માટે બાંધેલા મહેલમાં રહેવા ગઈ તે પછી શલોમોને શહેરની પૂર્વગમની જમીનમાં પુરાણ કર્યું. શલોમોન વર્ષમાં ત્રણવાર પ્રભુને માટે તેણે બનાવેલી વેદી પર દહનબલિ અને સંગતબલિ ચઢાવતો. તે પ્રભુની વેદી આગળ ધૂપ પણ બાળતો. અને એમ તેણે મંદિરનું બાંધકામ પૂર્ણ કર્યું. શલોમોન રાજાએ અદોમના દેશમાં સૂફ સમુદ્રને કિનારે આવેલ એલાથ નજીકના એસ્યોનગેબેરમાં નૌકા કાફલો પણ તૈયાર કર્યો. શલોમોનના માણસો સાથે કામ કરવા હિરામના રાજાએ કેટલાક અનુભવી દરિયા ખેડૂઓને મોકલ્યા. દરિયાઈ માર્ગે ઓફિરના દેશમાં જઈ તેઓ શલોમોન રાજા માટે ચૌદ હજાર કિલો કરતાં વધારે સોનું લાવ્યા. શેબાની રાણીએ યાહવેના નામ સંબંધી શલોમોનની કીર્તિ સાંભળી, ત્યારે તે તેની ક્સોટી કરવા અટપટા પ્રશ્ર્નો પૂછવા યરુશાલેમ આવી. તે પોતાની સાથે અનુચરોના મોટા રસાલા સાથે ઊંટો પર સુગંધીદ્રવ્યો, ઝવેરાત અને પુષ્કળ સોનું લાદીને આવી. તે શલોમોનને મળી ત્યારે તેના મનમાં હતા તે બધા સવાલો તેને પૂછયા. શલોમોને તેના બધા પ્રશ્ર્નોના જવાબ આપ્યા અને તે તેની આગળ ખુલાસો ન કરી શકે એવો એકેય પ્રશ્ર્ન નહોતો. શેબાની રાણીએ શલોમોનનું જ્ઞાન સાંભળ્યું અને તેણે બાંધેલો રાજમહેલ જોયો. તેણે જમણમાં પીરસાતો ખોરાક, તેના અમલદારોની વસાહતો, રાજમહેલના કર્મચારીઓની વ્યવસ્થા અને તેમનો ગણવેશ, મિજબાની વખતે તહેનાતમાં રહેતા અનુચરો અને પ્રભુના મંદિરમાં તે જે બલિદાનો ચડાવતો એ બધુ જોયું. એ જોઈને તે આશ્ર્વર્યથી સ્તબ્ધ થઈ ગઈ. તેણે શલોમોનને કહ્યું, “તમારાં કાર્યો અને તમારા જ્ઞાન સંબંધી મેં મારા દેશમાં જે સાંભળ્યું હતું તે સાચું છે. પણ મેં અહીં આવીને મારી જાતે જોયું ત્યાં સુધી એ મારા માન્યામાં આવતું નહોતું. પણ મેં તો અડધુંય સાંભળ્યું નહોતું. મને કહેવામાં આવ્યું હતું તે કરતાં તમારાં જ્ઞાન અને સમૃદ્ધિ વિશેષ છે. તમારા માણસો કેવા ભાગ્યશાળી છે! વળી, તમારી તહેનાતમાં સતત રહેતા તમારા સેવકો પણ કેવા ભાગ્યશાળી છે કે તેમને તમારી જ્ઞાનવાણી સાંભળવાનો લહાવો મળે છે. તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! તમને ઇઝરાયલના રાજા બનાવી પ્રભુ તમારા પર કેવા પ્રસન્‍ન છે તે તેમણે બતાવ્યું છે. ઇઝરાયલ પ્રત્યેના તેમના અવિરત પ્રેમને કારણે ન્યાય અને નેકી પ્રવર્તાવાને માટે તેમણે તમને તેમના રાજા બનાવ્યા છે.” પછી તેણે શલોમોન રાજાને બક્ષિસમાં ચાર હજાર કિલો કરતાં વધારે સોનું અને પુષ્કળ પ્રમાણમાં સુગંધીદ્રવ્યો અને ઝવેરાત આપ્યાં. શેબાની રાણીએ તેને જેટલાં સુગંધીદ્રવ્યો આપ્યાં તેટલાં ક્યારેય કોઈના તરફથી મળ્યાં નહોતાં. (હિરામનો નૌકાકાફલો ઓફિરના પ્રદેશમાંથી સોનું લાવ્યો ત્યારે ત્યાંથી સાથે પુષ્કળ પ્રમાણમાં સુખડનું લાકડું અને ઝવેરાત લાવ્યો હતો. શલોમોને તે લાકડાનો ઉપયોગ પ્રભુના મંદિરમાં અને રાજમહેલમાં કઠેરા બાંધવામાં તેમ જ સંગીતકારો માટે વીણા અને સિતાર બનાવવામાં કર્યો. ઇઝરાયલમાં આયાત થયેલું એ સર્વશ્રેષ્ઠ સુખડ હતું; એના જેવું ફરી ક્યારે જોવા મળ્યું નથી.) શલોમોન રાજાએ રાજપ્રણાલી મુજબની ઉદારતાથી આપેલી બક્ષિસો ઉપરાંત શેબાની રાણીએ જે જે માગ્યું તે બધું તેને આપ્યું. પછી તે પોતાના રસાલા સાથે શેબા દેશમાં પાછી ફરી. શલોમોન રાજાને દર વર્ષે લગભગ ત્રેવીસ હજાર કિલો સોનું મળતું. તે ઉપરાંત વેપારીઓ તરફથી મળતા વેરા, વેપારમાં થતો નફો અને અરબી રાજાઓ અને ઇઝરાયલી પ્રાંતના સૂબાઓ પાસેથી ખંડણી મળતી. શલોમોને બસો મોટી ઢાલો બનાવડાવી. પ્રત્યેક ઢાલ લગભગ સાત કિલો સોનાથી મઢેલી હતી. તેણે ત્રણસો નાની ઢાલો પણ બનાવડાવી. પ્રત્યેક ઢાલ લગભગ બે કિલો સોનાથી મઢેલી હતી. તેણે એ બધી ઢાલો “લબાનોન વનખંડ” મૂકાવી. તેણે હાથીદાંતનું મોટું સિંહાસન બનાવડાવ્યું, અને તેને ચોખ્ખા સોનાથી મઢયું. સિંહાસન પર ચઢવા માટે છ પગથિયાં હતાં. પ્રત્યેક પગથિયે બન્‍ને તરફ એકએક એમ કુલ બાર સિંહ હતા. સિંહાસનના પાછળના ભાગમાં આખલાના માથાની પ્રતિમા હતી. સિંહાસનના બે હાથા પર એકએક સિંહ હતો. બીજા કોઈ રાજ્યમાં આવું સિંહાસન નહોતું. *** શલોમોનના પીવાના સર્વ પ્યાલાઓ અને “લબાનોન વનખંડ” સર્વ પાત્રો સોનાનાં હતાં. ચાંદી તો વાપરી જ નહોતી, કારણ, શલોમોનના સમયમાં તેનું કોઈ મૂલ્ય નહોતું. હિરામના નૌકાકાફલા સાથે વહાણવટું કરનાર તેનો પોતાનો નૌકાકાફલો પણ હતો. દર ત્રણ વર્ષે તેનાં વહાણો સોનું, ચાંદી, હાથીદાંત, વાંદરા અને માંકડાં લાવતા. બીજા કોઈ રાજા કરતાં શલોમોન રાજા વધારે ધનવાન અને જ્ઞાની હતો. અને ઈશ્વરે તેને આપેલું જ્ઞાન સાંભળવા આખી દુનિયામાંથી લોકો તેની પાસે આવતા. તેની પાસે જે કોઈ આવે તે સોનાચાંદીની ચીજવસ્તુઓ, ઝભ્ભા, હથિયારો, સુગંધીદ્રવ્યો, ઘોડાઓ અને ખચ્ચરો જેવી કોઈને કોઈ ભેટ લાવતા. આવું વરસોવરસ ચાલ્યા કર્યું. શલોમોને ચૌદસો રથોનું અને બાર હજાર ઘોડેસ્વારોનું સૈન્ય ઊભું કર્યું. કેટલાકને તેણે યરૂશાલેમમાં રાખ્યા, જ્યારે બીજા બધાને અન્ય નગરોમાં રાખ્યા. તેના અમલ દરમ્યાન યરુશાલેમમાં ચાંદી પથ્થરના જેટલી સસ્તી અને ગંધતરુ ખીણપ્રદેશના ગુલ્લરવૃક્ષના લાકડા સમાન થઈ પડ્યાં હતાં. મૂસરી અને કીલિકિયામાંથી ઘોડાની અને ઇજિપ્તમાંથી રથોની આયાત રાજાના આડતિયાઓ હસ્તક હતી. તેઓ હિત્તીઓ અને અરામના રાજાઓને ઘોડા અને રથો પૂરા પાડતા. ચાંદીના છસો સિકાકાઓ લેખે એક રથ અને દોઢસો સિકાકાઓ લેખે એક ઘોડો એમ તેઓ વેચતા. શલોમોન ઘણી વિદેશી સ્ત્રીઓના મોહમાં પડયો. ઇજિપ્તના રાજાની પુત્રી ઉપરાંત મોઆબી, આમ્મોની, અદોમી અને હિત્તી સ્ત્રીઓ સાથે તેણે લગ્ન કર્યાં. એ પ્રજાઓ તેમના દેવો તરફ ઇઝરાયલીઓની નિષ્ઠા વાળી દે એ કારણથી પ્રભુએ ઇઝરાયલીઓને તેમની સાથે આંતરલગ્નની મના કરી હતી; તો પણ શલોમોને તેમની સાથે લગ્ન કર્યાં. શલોમોને સાતસો રાજકુંવરીઓ સાથે લગ્ન કર્યાં હતાં અને તેને ત્રણસો ઉપપત્નીઓ હતી. તેમણે ઈશ્વર પ્રત્યેથી તેનું મન ભટકાવી દીધું, અને તે વૃદ્ધ થયો તેટલા સમયમાં તો તેઓ તેને વિદેશી દેવતાઓની ભક્તિ તરફ વાળી ગઈ. તેના પિતા દાવિદની જેમ તે તેના ઈશ્વર પ્રભુ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠાવાન રહ્યો નહિ. તેણે સિદોનની દેવી આશ્તારોથ અને આમ્મોનના ઘૃણાસ્પદ દેવ મિલ્કોમની પૂજા કરી. તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું અને તેના પિતા દાવિદની જેમ તે તેમને પૂરી નિષ્ઠાથી અનુસર્યો નહિ. યરુશાલેમની પૂર્વમાં આવેલા પર્વત પર તેણે મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ અને આમ્મોનના તિરસ્કારપાત્ર દેવ મિલ્કોમની ભક્તિ માટે ઉચ્ચસ્થાન બંધાવ્યાં. આમ તેણે તેને તેની સઘળી વિદેશી પત્નીઓ પોતાના દેવો આગળ ધૂપ ચડાવી શકે અને બલિદાનો ચડાવી શકે અને તે માટે પણ તેણે ભક્તિસ્થાનો બંધાવ્યા. જો કે ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ શલોમોનને બે વાર દર્શન આપ્યું હતું અને તેને વિધર્મી દેવોની પૂજા નહિ કરવા આજ્ઞા કરી હતી, તોપણ શલોમોને પ્રભુનું માન્યું નહિ, પણ તેમનાથી વિમુખ થઈ ગયો. તેથી પ્રભુ શલોમોન પર રોષે ભરાયા. *** તેમણે તેને કહ્યું, “તેં જાણીબૂઝીને મારી સાથેનો તારો કરાર તોડ્યો છે અને મારી આજ્ઞાઓ પાળી નથી. તેથી હું તારી પાસેથી રાજ્ય ઝૂંટવી લઈશ. અને તારા અધિકારીઓમાંથી એકને આપીશ. તેમ છતાં, તારા પિતા દાવિદને લીધે તે હું તારા જીવતાં નહિ કરું, પણ તારા પુત્રના અમલ દરમ્યાન કરીશ. વળી, હું તેની પાસેથી આખુંય રાજ્ય નહિ લઈ લઉં; પણ મારા સેવક દાવિદને લીધે અને યરુશાલેમ કે જેને મેં મારું નગર થવા પસંદ કર્યું છે તેને લીધે હું તેની પાસે એક કુળ રહેવા દઈશ. તેથી પ્રભુએ અદોમના રાજકુટુંબના હદાદને શલોમોનની વિરુદ્ધ ઉશ્કેર્યો. અગાઉ ઘણા સમય પહેલાં, દાવિદે અદોમ જીતી લીધું હતું, ત્યારે તેનો સેનાપતિ યોઆબ ત્યાં મરેલાંને દફનાવવા ગયો હતો. તે અને તેના માણસો અદોમમાં છ માસ રહ્યા હતા અને એ સમય દરમ્યાન તેમણે અદોમના બધા પુરુષોને મારી નાખ્યા હતા. *** માત્ર હદાદ અને તેના પિતાના કેટલાક સેવકો બચી ગયા અને છટકીને ઇજિપ્ત નાસી છૂટયા. (તે વખતે હદાદ માત્ર નાનો બાળક હતો) તેઓ મિદ્યાન છોડીને પારાન ગયા, જ્યાં તેમની સાથે થોડાક માણસો જોડાયા હતા. પછી તેઓ મુસાફરી કરતાં કરતાં ઇજિપ્તમાં ફેરો પાસે ગયા. ફેરોએ તેમને થોડી જમીન રહેવાને મકાન અને ખોરાક આપ્યાં. હદાદે રાજાની સદ્ભાવના સંપાદન કરી લીધી અને રાજાએ પોતાની સાળી, એટલે રાણી તાહ્પનેસની બહેનને હદાદ સાથે પરણાવી. તેને હદાદથી પુત્ર થયો જેનું નામ ગેનુબાથ હતું. રાણીએ તેને રાજ્યમહેલમાં ઉછેર્યો અને તે ત્યાં રાજાના પુત્રો સાથે રહ્યો. હદાદને ઇજિપ્તમાં સમાચાર મળ્યા કે દાવિદ મૃત્યુ પામ્યો છે અને તેનો સેનાપતિ યોઆબ પણ મરી ગયો છે, ત્યારે હદાદે રાજાને કહ્યું, “મને મારા દેશમાં જવા દો.” રાજાએ પૂછયું, “તું તારા દેશમાં કેમ પાછો જવા માગે છે? મારે ત્યાં તને કશાની ખોટ પડી છે?” હદાદે રાજાને જવાબ આપ્યો, “ના જી, પણ કૃપા કરીને મને જવા દો.” એમ તે પોતાના દેશમાં પાછો ગયો. હદાદ અદોમનો રાજા બન્યો અને ઇઝરાયલ પ્રત્યે દુશ્મનાવટ રાખતો હતો. ઈશ્વરે એલ્યાદાના પુત્ર રઝોનને શલોમોનની વિરુદ્ધ કરી દીધો. રઝોન તેના માલિક સોબાના રાજા હદાદેઝેરથી નાસી છૂટયો હતો, અને બંડખોરોની ટોળીનો આગેવાન બની બેઠો હતો. (દાવિદે હદાદેઝેરનો પરાભવ કર્યો ને તેના મિત્ર રાજ્ય અરામીઓનો સંહાર કર્યો તે પછી એ બન્યું હતું.) રઝોન અને તેના માણસો દમાસ્ક્સમાં જઈ વસ્યા, જ્યાં તેના માણસોએ તેને અરામનો રાજા બનાવ્યો. શલોમોનના જીવનકાળ દરમ્યાન તે ઇઝરાયલનો શત્રુ હતો. શલોમોનની વિરુદ્ધ થઈ જનાર બીજો એક માણસ તો તેનો પોતાનો એક અધિકારી એટલે, એફ્રાઈમ પ્રદેશના સરેદાહ નગરના નાબાટનો પુત્ર યરોબામ હતો. તેની માતા સરુયા વિધવા હતી. તેના બંડની વાત આવી છે: શલોમોન યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરાવતો હતો અને નગરના કોટની મરામત કરાવતો હતો. યરોબામ સશક્ત જુવાન હતો અને તેને ખંતથી કામ કરતો જોઈને શલોમોને તેને યોસેફના પુત્રો મનાશ્શા અને એફાઈમનાં કુળોના પ્રદેશમાં વેઠના સર્વ કામ પર ઉપરી તરીકે નીમ્યો. એક દિવસે યરોબામ યરુશાલેમથી મુસાફરીએ જઈ રહ્યો હતો ત્યારે શીલોમાંથી ઈશ્વરનો સંદેશવાહક અહિયા તેને રસ્તામાં એકલો મળ્યો. અહિયાએ પોતે પહેરેલો નવો ઝભ્ભો ઉતાર્યો અને તેના બાર કટકા કર્યા. તેણે યરોબામને કહ્યું, “તારે માટે દસ કટકા લઈ લે, કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તરફથી તારે માટે આ સંદેશ છે, ‘હું શલોમોન પાસેથી રાજ્ય લઈ લઈશ અને તને દસ કુળો આપીશ. મારા સેવક દાવિદને લીધે અને સમસ્ત ઇઝરાયલ દેશમાંથી મારા પોતાના નગર તરીકે પસંદ કરેલ નગર યરુશાલેમને લીધે શલોમોન પાસે એક કુળ રહેશે. કારણ, શલોમોને મારો ત્યાગ કર્યો હોઈ અને સિદોનની દેવી આશ્તારોથ, મોઆબનો દેવ કમોશ અને આમ્મોનનો દેવ મિલ્કોમ એ વિદેશી દેવોની પૂજા કરી છે. શલોમોન મારી ઇચ્છાને અનુસર્યો નથી; પણ તેણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે. તેના પિતા દાવિદની જેમ તેણે મારા નિયમો અને ફરમાનો પાળ્યા નથી. છતા હું શલોમોન પાસેથી આખું રાજ્ય લઈ લઈશ નહિ, અને તે જીવશે ત્યાં લગી હું તેને સત્તા પર રાખીશ. મારો પસંદ કરેલો સેવક દાવિદ, જેણે મારા નિયમો અને ફરમાનો પાળ્યાં હતાં તેને લીધે હું એમ કરીશ. હું શલોમોનના પુત્ર પાસેથી રાજ્ય લઈ લઈશ અને તને દસ કુળ આપીશ; પણ શલોમોનના પુત્ર પાસે એક કુળ રહેશે, જેથી મારે નામે મારી ભક્તિ કરવાના સ્થાન તરીકે મેં પસંદ કરેલા નગર યરુશાલેમમાં રાજ કરવા મારા સેવક દાવિદનો જ વંશજ રાજ કરે. યરોબામ, હું તને ઈઝરાયલનો રાજા બનાવીશ અને તું ઇચ્છે છે તે પ્રદેશ પર હું તને રાજ કરાવીશ. જો તું મારી બધી આજ્ઞાઓ પ્રમાણે વર્તીશ, મારી ઇચ્છાને અનુસરીશ, મારી દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કરીશ અને મારા નિયમો અને ફરમાનોનું પાલન કરીશ તો જેમ મેં દાવિદના હક્કમાં કર્યું છે તેમ તારા વંશજો કાયમને માટે રાજ કરે એવું હું થવા દઈશ. શલોમોનના પાપને લીધે હું દાવિદના વંશજોને સજા કરીશ, પણ એ સજા કાયમની નહિ હોય.” અને તેથી શલોમોને યરોબામને મારી નાખવા પ્રયાસ કર્યો, પણ તે ઇજિપ્તના રાજા શીશાક પાસે જતો રહ્યો અને શલોમોનના મરણ સુધી ત્યાં જ રહ્યો. શલોમોનના અમલના બાકીના બનાવો, તેનાં કાર્યો અને તેનું જ્ઞાન એ બધું શલોમોનના ઇતિહાસમાં લખેલું છે. તેણે યરુશાલેમમાં ઇઝરાયલ પર ચાલીસ વર્ષ રાજ કર્યું. તે મરણ પામ્યો અને તેને તેના પિતા દાવિદના નગરમાં દફનાવવામાં આવ્યો અને તેના પછી તેનો પુત્ર રહાબામ રાજા બન્યો. રહાબામ શખેમ ગયો. ત્યાં ઉત્તર ઇઝરાયલના લોકો તેને રાજા બનાવવા એકત્ર થયા હતા. શલોમોન રાજાથી બચવા ઇજિપ્ત નાસી ગયેલ નબાટના પુત્ર યરોબામે એ સમાચાર સાંભળ્યા એટલે તે ઇજિપ્તથી પાછો આવ્યો. ઉત્તરનાં કુળોના લોકોએ તેને બોલાવડાવ્યો, અને પછી યરોબામને સાથે લઈને તેઓ સૌએ રહાબામ પાસે જઈને તેને કહ્યું, “તમારા પિતા શલોમોને અમારા પર લાદેલી રાજસેવા ભારે ઝૂંસરી સમાન હતી. તમારા પિતાએ લાદેલી વેઠ અને એ ઝૂંસરીનો બોજ તમે હળવો કરશો. તો અમે તમારી નિષ્ઠાપૂર્વક સેવા કરીશું.” તેણે જવાબ આપ્યો, “તમે ત્રણ દિવસ પછી આવજો, એટલે હું તમને તેનો જવાબ આપીશ.” તેથી તેઓ ગયા. રહાબામે પોતાના પિતાના વડીલ સલાહકારોનો પરામર્શ કર્યો. તેણે પૂછયું, “આ લોકોને મારે શો જવાબ આપવો? તમારી શી સલાહ છે?” તેમણે જવાબ આપ્યો, “તમારે આ લોકની સારી સેવા કરવી હોય, તો તેમને તેમની વિનંતીઓ સાનુકૂળ જવાબ આપો, એટલે તે વફાદારીપૂર્વક તમારી સેવા કરશે.” પણ તેણે મોટી વયના માણસોની સલાહ અવગણી અને એને બદલેે, તેની સાથે મોટા થયેલા અને હવે તેના સલાહકાર તરીકે કામ કરતાં યુવાનોને પૂછયું, “પોતાના પર બોજ હળવો કરવાની માગણી કરનાર આ લોકોને હું શું કહું? એ વિષે તમારી શી સલાહ છે?” તેમણે જવાબ આપ્યો, “તમે તેમને આમ કહેજો: ‘મારા પિતાની કમર કરતાં મારી ટચલી આંગળી જાડી છે!’ તેમને કહેજો, ‘મારા પિતાએ તમારા પર ભારે બોજ મૂક્યો; હું એના કરતાં વધારે ભારે બોજ મૂકીશ. તે તમને કોરડાથી મારતા હતા, પણ હું તેમને ચાબુકથી ફટકા મારીશ.” ત્રણ દિવસ પછી યરોબામ અને બધા લોકો રહાબામે આપેલી સૂચના પ્રમાણે તેની પાસે ગયા. રાજાએ મોટી ઉંમરના માણસોની સલાહ અવગણી અને લોકો સાથે કડકાઈથી વાત કરી. એમ તે યુવાનોની સલાહને અનુસર્યો. તેણે કહ્યું, “મારા પિતાએ તમારા પર ભારે બોજ મૂ્ક્યો હતો, પણ હું એના કરતાં વધારે ભારે બોજ મૂકીશ. તે તમને કોરડાથી મારતા હતા. પણ હું તમને ચાબુકથી ફટકારીશ.” પ્રભુએ શીલો નગરના સંદેશવાહક અહિયા મારફતે નબાટના પુત્ર યરોબામને જે કહ્યું હતું તે પૂરું કરવાનો નિર્ધાર કર્યો હતો. તેથી તો રાજાએ લોકોના કહેવા પર કંઈ ધ્યાન આપ્યું નહિ. લોકોએ જોયું કે રાજા તેમનું સાંભળશે નહિ. ત્યારે તેમણે પોકાર કર્યો, “યિશાઈના પુત્ર દાવિદ અને તેના કુટુંબ સાથે અમારે શો સંબંધ છે? અમારે તેની સાથે શી લેવાદેવા છે? ઇઝરાયલના માણસો, ચાલો, પોતપોતાને ઘેર જઈએ. રહાબામ પોતાનું ફોડી લેશે.” આમ, સર્વ ઇઝરાયલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. અને રહાબામ માત્ર યહૂદિયામાં વસતા ઇઝરાયલી લોકોનો જ રાજા રહ્યો. પછી રહાબામ રાજાએ વેઠિયાઓના ઉપરી અદોનીરામને ઇઝરાયલીઓ પાસે મોકલ્યો, પણ તેમણે તેને પથ્થરો મારી મારી નાખ્યો. તેથી રહાબામ ઝટપટ રથમાં ચઢી બેસી યરુશાલેમ નાસી ગયો. એ સમયથી ઉત્તરના ઇઝરાયલના રાજ્યના લોકો દાવિદના રાજવંશ સામે વિદ્રોહ કરતા રહ્યા છે. ઇઝરાયલના લોકોએ સાંભળ્યું કે યરોબામ ઇજિપ્તથી પાછો આવ્યો છે ત્યારે તેમણે તેને લોકોની એક સભામાં આમંત્રણ આપ્યું અને તેને રાજા બનાવ્યો. માત્ર યહૂદિયાનું કુળ દાવિદના રાજવંશને વફાદાર રહ્યું. શલોમોનના પુત્ર રહાબામે યરુશાલેમ આવીને યહૂદા અને બિન્યામીનનાં કુળોમાંથી એક લાખ એંસી હજાર ચુનંદા સૈનિકો એકઠા કર્યા. તેનો ઇરાદો યુદ્ધ કરીને ઇઝરાયલનાં ઉત્તરનાં કુળો પર અંકુશ મેળવવાનો હતો. પણ ઈશ્વરે પોતાના સંદેશવાહક શમાયાને બિન્યામીનનાં કુળોના સર્વ લોકોને આ પ્રમાણેનો સંદેશો આપવા જણાવ્યું. *** “તમારા ભાઈઓ ઇઝરાયલના લોકો પર ચડાઈ કરતા નહિ. તમે સૌ પોતપોતાને ઘેર જાઓ. એ બધું મારી ઇચ્છા પ્રમાણે થયું છે.” તેથી સૌ પ્રભુની આજ્ઞા માનીને પોતપોતાને ઘેર પાછા ફર્યા. યરોબામ પ્રભુથી ભટકી જાય છે. ઇઝરાયલના રાજા યરોબામે એફ્રાઈમના પહાડીપ્રદેશના નગર શખેમને કિલ્લેબંધીવાળું બનાવ્યું અને ત્યાં થોડો સમય રહ્યો. પછી ત્યાંથી તે જતો રહ્યો અને પનૂએલ નગરને કિલ્લો બંધાવ્યો. તેણે મનમાં કહ્યું, “અત્યારે જેમ છે તેમ જો લોકો યરુશાલેમ જશે અને ત્યાં મંદિરમાં પ્રભુને બલિદાનો ચઢાવશે તો તેમની નિષ્ઠા યહૂદિયાના રાજા રહાબામ તરફની થઈ જશે અને તેઓ મને મારી નાખશે. એ રીતે દાવિદના વંશજોને આખું રાજ્ય પાછું મળશે.” *** એ અંગે વિચારણા કરીને તેણે સોનાના બે વાછરડા બનાવ્યા અને પોતાના લોકોને કહ્યું, “તમારે ભક્તિ માટે છેક યરુશાલેમ જવું પડે છે. હે ઇઝરાયલના લોકો, તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર આ રહ્યા તમારા દેવો!” તેણે એક વાછરડો બેથેલમાં અને બીજો દાનમાં મૂક્યો. એમ લોકો બેથેલ અને દાનમાં ભક્તિ કરવા જઈ પાપમાં પડયા. યરોબામે પહાડનાં શિખરો પર ભક્તિનાં ઉચ્ચસ્થાન બાંધ્યાં, અને લેવીના કુળનાં ન હોય એવાં કુટુંબોમાંથી યજ્ઞકારો પસંદ કરીને નીમ્યા. યરોબામે યહૂદિયાના પર્વોત્સવની જેમ આઠમા મહિનાની પંદરમી તારીખે ધાર્મિક પર્વોત્સવની સ્થાપના કરી. પોતે બનાવેલા સોનાના વાછરડા આગળ તેણે બેથેલમાં વેદી પર બલિદાનો ચઢાવ્યાં. વળી, તેણે બેથેલમાં બંધાવેલાં ભક્તિનાં ઉચ્ચસ્થાનો પર સેવા કરવા યજ્ઞકારો મૂક્યા. તેણે પોતે ઠરાવેલ દિવસે, એટલે આઠમા મહિનાની પંદરમી તારીખે, ઇઝરાયલના લોકો માટે પોતે સ્થાપેલ ધાર્મિક પર્વોત્સવની ઉજવણી નિમિત્તે પોતે બેથેલમાં જઈને વેદી પર બલિનું દહન કર્યું. પ્રભુ તરફથી સંદેશ મળતાં યહૂદિયામાંથી એક ઈશ્વરભક્ત બેથેલ ગયો ને યરોબામ બલિનું દહન કરવા વેદી આગળ ઊભો હતો ત્યાં પહોંચી ગયો. પ્રભુના સંદેશ અનુસાર ઈશ્વરભક્તે વેદીનો તિરસ્કાર કરતાં કહ્યું; “ઓ વેદી, વેદી, પ્રભુ આમ કહે છે: દાવિદના કુટુંબમાં યોશિયા નામે બાળકનો જન્મ થશે. તે તારા પર વિધર્મી વેદીઓના ‘યજ્ઞકારોની ક્તલ કરશે અને તારા પર માણસોનાં હાડકાં બાળશે.” ઈશ્વરભક્તે ચિહ્ન આપતાં કહ્યું, “પ્રભુએ તે માટે આ આશ્ર્વર્યચિહ્ન દર્શાવ્યું છે: આ વેદી ભાંગી જશે અને તેના પરની રાખ વેરાઈ જશે.” એ ઈશ્વરભક્તને બેથેલની વેદીને શાપ દેતો સાંભળીને યરોબામ રાજાએ વેદી ઉપરથી હાથ લંબાવીને હુકમ કર્યો, “એને પકડો!” તરત જ રાજાના હાથને લકવો થઈ ગયો; જેથી તે તેને પાછો ખેંચી શક્યો નહિ. પ્રભુની આજ્ઞા અનુસાર ઈશ્વરભક્તે આપેલા આશ્ર્વર્યચિહ્ન પ્રમાણે વેદી એકાએક તૂટી પડી અને તે પરની રાખ જમીન પર વેરાઈ ગઈ. યરોબામ રાજાએ ઈશ્વરભક્તને કહ્યું, “કૃપા કરી પ્રભુ, તમારા ઈશ્વરને મારે માટે પ્રાર્થના કરો અને તેમને મારો હાથ સાજો કરવા કહો.” ઈશ્વરભક્તે પ્રભુને પ્રાર્થના કરી એટલે રાજાનો હાથ સાજો થઈ ગયો. પછી રાજાએ ઈશ્વરભક્તને કહ્યું, “મારે ઘેર જમવા પધારો. તમે જે કર્યું છે તેનો બદલો હું આપીશ.” ઈશ્વરભક્તે કહ્યું, “તમે મને તમારી અડધી સંપત્તિ આપી દો, તો પણ તમારી સાથે આવીને હું કંઈપણ ખાવાપીવાનો નથી. પ્રભુએ મને કંઈપણ ખાવાપીવાની અને જે રસ્તે હું આવ્યો છે તે જ રસ્તે પાછા ફરવાની મના કરી છે.” તેથી તે તે જ રસ્તે પાછો નહિ ફરતાં બીજે રસ્તે ગયો. એ વખતે બેથેલમાં એક વૃદ્ધ સંદેશવાહક રહેતો હતો. તેના પુત્રોએ આવીને યહૂદિયાના ઈશ્વરભક્તે બેથેલમાં તે દિવસે જે કર્યું અને તેણે યરોબામને જે કહ્યું હતું તે તેને જણાવ્યું. વૃદ્ધ સંદેશવાહકે તેમને પૂછયું, “તે ત્યાંથી નીકળીને કયે રસ્તે ગયો?” તેમણે યહૂદિયાનોે સંદેશવાહક જે રસ્તે ગયો હતો તે રસ્તો બતાવ્યો. એટલે તેણે પોતાના પુત્રોને ગધેડા પર જીન બાંધી તેને તૈયાર કરવા જણાવ્યું. તેમણે તેમ કર્યું, એટલે તે ઉપડયો, અને યહૂદિયાનો ઈશ્વરભક્ત જે માર્ગે ગયો હતો તે માર્ગે તેની પાછળ ગયો. તે તેને મસ્તગીવૃક્ષ નીચે બેઠેલો મળ્યો. તેણે પૂછયું, “યહૂદિયામાંથી આવેલા ઈશ્વરભક્ત તમે છો કે?” પેલા માણસે જવાબ આપ્યો, “હા, હું જ તે છું.” તેણે કહ્યું, “મારે ઘેર જમવા પધારો.” પણ યહૂદિયાના ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “હું તમારે ઘેર આવીને તમારી મહેમાનગીરી સ્વીકારી શક્તો નથી. હું અહીં પણ તમારી સાથે કંઈ ખાઈપીશ નહિ. કારણ, પ્રભુએ મને અહીં કંઈપણ ખાવાપીવાની અને જે રસ્તે હું આવ્યો તે જ રસ્તે પાછા ફરવાની મના કરી છે.” પછી બેથેલના વૃદ્ધ સંદેશવાહકે તેને કહ્યું, “હું પણ તમારા જેવો સંદેશવાહક છું, અને પ્રભુની આજ્ઞાથી તમને મારે ઘેર લઈ આવવા અને તમારું સ્વાગત કરવા દૂતે મને જણાવ્યું છે.” પણ વૃદ્ધ સંદેશવાહક જૂઠું બોલતો હતો. તેથી યહૂદિયાનો ઈશ્વરભક્ત વૃદ્ધ સંદેશવાહક સાથે તેને ઘેર ગયો અને તેની સાથે ત્યાં જમ્યો. તેઓ ભોજન કરવા બેઠા હતા ત્યારે વૃદ્ધ સંદેશવાહક પાસે પ્રભુનો સંદેશ આવ્યો. તેણે યહૂદિયાના ઈશ્વરભક્તને પોકારીને કહ્યું, “પ્રભુ કહે છે કે તેં તેમની આજ્ઞા ઉથાપી છે અને તેમની આજ્ઞા પ્રમાણે કર્યું નથી. એને બદલે, તેમણે તને મના કરી હતી તે સ્થળે પાછા ફરીને તેં ભોજન લીધું છે. એને લીધે તું માર્યો જશે અને તારું દફન તારા કુટુંબની કબરમાં થશે નહિ.” તેઓ ખાઈપી રહ્યા એટલે વૃદ્ધ સંદેશવાહકે યહૂદિયાના ઈશ્વરભક્ત માટે ગધેડા પર જીન બાંધી તેને તૈયાર કર્યું. પછી તે ચાલી નીકળ્યો. રસ્તે જતાં તેને એક સિંહનો ભેટો થઈ ગયો, અને તેણે તેને મારી નાખ્યો. તેનું શબ રસ્તા પર પડયું હતું અને ગધેડું તથા સિંહ તેની પાસે ઊભાં હતાં. ત્યાંથી પસાર થનાર કેટલાક માણસોએ રસ્તા પર શબ અને નજીકમાં ઊભો રહેલો સિંહ જોયાં. તેમણે જે જોયું હતું તેની બેથેલમાં જઈને વૃદ્ધ સંદેશવાહકને ત્યાં ખબર આપી. વૃદ્ધ સંદેશવાહકે એ સાંભળતાં કહ્યું, “એ તો પ્રભુની આજ્ઞા ઉથાપનાર ઈશ્વરભક્ત છે! પ્રભુએ કહ્યું હતું તેમ તેમણે જ સિંહને તેના પર હુમલો કરી તેને મારી નાખવા મોકલ્યો. પછી તેણે પોતાના પુત્રોને કહ્યું, “મારે માટે જીન બાંધી ગધેડું તૈયાર કરો.” એટલે તેમણે તેમ કર્યું. તે ચાલી નીકળ્યો અને ઈશ્વરભક્તના શબને રસ્તામાં પડેલું અને હજુ સિંહ તથા ગધેડાને પાસે ઊભેલા જોયાં. સિંહે ન તો શબ ખાધું હતું, ન તો ગધેડા પર હુમલો કર્યો હતો. વૃદ્ધ સંદેશવાહકે શબ ઉપાડી તેને ગધેડા પર મૂકાયું અને તેને માટે શોક પાળવા તેમ જ તેને દફનાવવા બેથેલ લાવ્યો. તેણે તેને પોતાના કુટુંબની કબરમાં દફનાવ્યો અને તેણે તથા તેના પુત્રોેએ “મારા ભાઈ, ઓ મારા ભાઈ!” એમ કહેતાં તેનો શોક પાળ્યો. તેના દફન પછી સંદેશવાહકે પોતાના પુત્રને કહ્યું, “હું મરણ પામું ત્યારે મને આ કબરમાં દાટજો અને તેની પાસે મારું શબ મૂકજો. બેથેલમાંની વેદી અને સમરૂનનાં નગરોનાં સર્વ ઉચ્ચ ભક્તિસ્થાનો વિરુદ્ધ પ્રભુની આજ્ઞાથી તેણે જે સંદેશા પોકાર્યા હતા તે જરૂર સાચાં પડશે.” હજી પણ ઇઝરાયલનો રાજા યરોબામ તેના ભૂંડા માર્ગોથી પાછો ફર્યો નહિ, પણ પોતે બાંધેલાં ભક્તિનાં ઉચ્ચસ્થાનો પર સેવા કરવા લેવીકુળનાં ન હોય તેવાં કુટુંબોમાંથી યજ્ઞકારો નીમવાનું તેણે ચાલુ રાખ્યું. જેને યજ્ઞકાર થવું હોય તેને તે બનાવતો. તેના આ પાપને લીધે તેનો નાશ થયો અને પૃથ્વીના પટ પરથી તેના રાજવંશનો પણ પૂરો નાશ થયો. એ વખતે યરોબામનો પુત્ર અબિયા બીમાર પડયો. યરોબામે પોતાની પત્નીને કહ્યું. “તને કોઈ મારી પત્ની તરીકે ઓળખી જાય નહિ તે માટે વેશપલટો કરીને શીલો જા. ત્યાં, હું ઇઝરાયલનો રાજા બનીશ એવું ભવિષ્ય ભાખનાર સંદેશવાહક અહિયા રહે છે. તેને માટે દસ રોટલી, થોડી પોળીઓ અને મધની બરણી લઈ જા, આપણા પુત્રનું શું થશે તે તેને પૂછજે, એટલે તે તને કહેશે.” તેથી તે સ્ત્રી વેશપલટો કરીને શીલોમાં અહિયાને ઘેર ગઈ. વૃદ્ધાવસ્થાને લીધે અહિયાની આંખે ઝાંખપ આવી હોવાથી તે જોઈ શક્તો નહોતો. પ્રભુએ અહિયાને કહ્યું કે યરોબામની પત્ની તેમના બીમાર પુત્ર વિશે પૂછવા આવે છે. તેને શું કહેવું તે પણ પ્રભુએ અહિયાને કહ્યું. યરોબામની પત્નીએ આવીને પોતે બીજી કોઈ વ્યક્તિ હોવાનો ઢોંગ કર્યો. પણ અહિયાએ બારણે તેનાં પગલાંનો અવાજ સાંભળતાં જ તેને કહ્યું, “અંદર આવ. હું જાણું છું કે તું યરોબામની પત્ની છે. તું બીજી વ્યક્તિ હોવાનો ઢોંગ કેમ કરે છે? પ્રભુ તરફથી તારે માટે મારી પાસે માઠા સમાચાર છે. જા, જઈને યરોબામને જણાવ કે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તેને આમ કહે છે: ‘મેં તને લોકોમાંથી પસંદ કરી મારા ઇઝરાયલી લોકનો શાસક બનાવ્યો. દાવિદના વંશજો પાસેથી રાજ્યના ભાગલા પાડીને તેમાંથી કેટલુંક મેં તને આપ્યું. પણ મારો સેવક દાવિદ જે મને પૂરી નિષ્ઠાથી અનુસરતો હતો અને મારી દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કરતો હતો, તેના જેવો તું બન્યો નથી. તારી અગાઉના શાસકો કરતાં યે તેં ઘણાં મોટાં પાપકર્મો આચર્યાં છે. તેેં મારો ત્યાગ કર્યો છે અને ઉપાસના માટે મૂર્તિઓ અને ધાતુની પ્રતિમાઓ બનાવી તેં મને કોપાયમાન કર્યો છે. એને લીધે હે યરોબામ, હું તારા રાજવંશ પર આફત ઉતારીશ અને ઇઝરાયલમાંથી તારા વંશના નાનામોટા સર્વ પુરુષોનો હું સંહાર કરીશ જેમ વાસીદું કાઢી નાખવામાં આવે છે તેમ હું તારા રાજકુળને સફાચટ કરી નાખીશ. હે યરોબામ, તારા કુટુંબમાંથી જે કોઈ નગરમાં મરી જશે તેને કૂતરાં ખાઈ જશે, અને જે કોઈ વગડામાં મરી જશે તેને ગીધ ચૂંથી ખાશે. હું પ્રભુ એ બોલ્યો છું.” વળી, અહિયાએ યરોબામની પત્નીને કહ્યું, “હવે ધેર જા. તું જેવી નગરમાં પ્રવેશશે કે તારો પુત્ર મરણ પામશે. ઇઝરાયલના સર્વ લોક તેને માટે શોક કરશે અને તેને દાટશે. યરોબામના કુટુંબમાંથી માત્ર તેનું જ વિધિસર દફન થશે. કારણ, એ જ એક માણસમાં ઇઝરાયલના ઈશ્વર પ્રભુને સદાચાર જણાયો છે. પ્રભુ ઇઝરાયલ પર જે રાજા બનાવશે તે યરોબામના રાજવંશનો સત્વરે ઉચ્છેદ કરશે. પ્રભુ ઈઝરાયલને પણ સજા કરશે અને તે પ્રવાહમાં ડોલતા બરુની જેમ હચમચી જશે. પ્રભુ ઇઝરાયલના લોકોને તેમના પૂર્વજોને તેમણે આપેલા આ સારા દેશમાંથી ઉખેડી નાખશે અને તેમને યુફ્રેટિસ નદીને પેલે પાર વિખેરી નાખશે, કારણ, તેમણે અશેરા દેવીની પ્રતિમાઓ બનાવી પ્રભુને કોપાયમાન કર્યા છે. યરોબામે પાપ કર્યું છે અને ઇઝરાયલના લોકો પાસે પાપ કરાવ્યું છે; તેથી પ્રભુ ઇઝરાયલનો ત્યાગ કરશે.” યરોબામની પત્ની તિર્સા પાછી ગઈ તેણે તેના ધરના ઉંબરે પગ મૂક્યો કે છોકરો મરી ગયો. પ્રભુએ પોતાના સેવક સંદેશવાહક અહિયા મારફતે સંદેશ આપ્યો હતો તેમ ઇઝરાયલના લોકોએ તેને દફનાવ્યો અને તેને માટે શોક કર્યો. યરોબામ રાજાના બાકીનાં કાર્યો, તેણે ખેલેલાં યુદ્ધો, તેની રાજ કરવાની પદ્ધતિ એ બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલું છે. યરોબામે બાવીસ વર્ષ રાજ કર્યું. તે મરણ પામ્યો. તેના પછી તેનો પુત્ર નાદાબ રાજા બન્યો. શલોમોનનો પુત્ર રહાબામ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એક્તાલીસ વર્ષનો હતો. ઇઝરાયલના સર્વ કુળપ્રદેશોમાંથી પોતાના નામની ભક્તિ કરવાના સ્થાન તરીકે પ્રભુએ પસંદ કરેલ નગર યરુશાલેમમાં રહી તેણે સત્તર વર્ષ રાજ કર્યું. રહાબામની માતા નામા આમ્મોની હતી. યહૂદિયાના લોકોએ પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું અને તેમના બધા પૂર્વજો કરતાં પ્રભુને કોપ ચઢાવે એવાં વધારે ભૂંડા કૃત્યો આચર્યાં. તેમણે જુઠ્ઠા દેવોની ભક્તિ માટે ઉચ્ચસ્થાન બાંધ્યાં અને ડુંગરો પર તેમ જ હરિયાળાં વૃક્ષો નીચે પથ્થરના સ્તંભો ઊભા કર્યા અને અશેરા દેવીની પ્રતિમાઓ મૂકી એથીય ભૂંડી વાત તો એ કે તેમનાં સ્ત્રીપુરુષ એ વિધર્મી પ્રજાઓનાં પૂજાસ્થાનોમાં દેવદાસીઓ અને દેવદાસો તરીકે કામ કરતાં હતાં. ઇઝરાયલીઓ દેશનો કબજો લેતા ગયા તેમ તેમ પ્રભુએ દેશમાંથી જે પ્રજાઓને હાંકી કાઢી હતી એ પ્રજાઓનાં જેવાં શરમજનક કૃત્યો યહૂદિયાનાં લોકોએ પણ આચર્યાં. રહાબામના અમલના પાંચમે વર્ષે ઇજિપ્તના રાજા શીંશાકે યરુશાલેમ પર આક્રમણ કર્યું. પ્રભુના મંદિરમાંથી અને રાજમહેલમાંથી શલોમોને બનાવેલી સોનાની ઢાલો સહિત તે સર્વ ભંડારો લૂંટી ગયો. રહાબામ રાજાએ સોનાની ઢાલોની જગ્યાએ તાંબાની ઢાલો મૂકી અને રાજમહેલના સંરક્ષક અધિકારીઓને સોંપી. રાજા જ્યારે જ્યારે પ્રભુના મંદિરમાં જતો ત્યારે ત્યારે સંરક્ષકો ઢાલો ધારણ કરતા અને પછી સંરક્ષક ટુકડીની ઓરડીઓમાં મૂકી દેતા. રહાબામનાં બાકીનાં કાર્યો યહૂદિયાના રાજાના ઇતિહાસમાં નોંધેલાં છે. એ બધા સમય દરમ્યાન રહાબામ અને યરોબામ વચ્ચે સતત સંધર્ષ જારી રહ્યો. રહાબામ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર અબિયામ રાજા બન્યો. ઇઝરાયલના રાજા યરોબામના શાસનના અઢારમા વર્ષમાં અબિયામ યહૂદિયાનો રાજા બન્યો. તેણે યરુશાલેમમાં ત્રણ વર્ષ રાજ કર્યું. તેની માતા માખા આબ્શાલોમની પુત્રી હતી. તેણે પણ તેના પિતાના જેવાં જ પાપકર્મો કર્યાં અને તેના પિતામહ દાવિદની જેમ તેના ઈશ્વર પ્રભુ પ્રત્યે સંપૂર્ણ રીતે નિષ્ઠાવાન નહોતો. પણ દાવિદને લીધે યરુશાલેમમાં રાજ કરવા માટે અને યરુશાલેમની સલામતી માટે અબિયામને તેના ઈશ્વર પ્રભુએ પુત્ર આપ્યો. એવું કરવાનું કારણ એ છે કે દાવિદે પ્રભુને પસંદ પડતાં કામો જ કર્યાં હતાં અને ઉરિયા હિત્તીના કિસ્સા સિવાય પોતાના જીવનમાં બીજી કોઈ બાબતમાં તેણે ક્યારેય તેમની કોઈ આજ્ઞા ઉથાપી નહોતી. અબિયામના સમગ્ર શાસનકાળ દરમ્યાન અબિયામ અને યરોબામ વચ્ચે સતત સંઘર્ષ જારી રહ્યો. અબિયામનાં અન્ય કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે. અબિયાબ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આસા રાજા બન્યો. ઇઝરાયલના રાજા યરોબામના અમલના વીસમા વર્ષમાં આસા યહૂદિયાનો રાજા બન્યો. તેણે યરુશાલેમમાં એક્તાલીસ વર્ષ રાજ કર્યું. તેની દાદી માખા આબ્શાલોમની પુત્રી હતી. આસાએ તેના પૂર્વજ દાવિદની જેમ પ્રભુને પસંદ પડે તેવાં કામો જ કર્યાં. તેણે વિધર્મી પૂજાસ્થાનોમાં દેવદાસીઓ અને દેવદાસો તરીકે કામ આપતાં સર્વ સ્ત્રી પુરુષોની દેશમાંથી હકાલપટ્ટી કરી અને તેના પુરોગામીઓએ બનાવેલી બધી મૂર્તિઓ કાઢી નાખી. પોતાની દાદી માખાને તેણે રાજમાતાના પદ પરથી ઉતારી મૂકી, કારણ, તેણે પ્રજોત્પતિની દેવી અશેરાની ઘૃણાસ્પદ પ્રતિમા બનાવી હતી. આસાએ એ પ્રતિમા કાપી નાખીને તેને કિદ્રોનની ખીણમાં બાળી નાખી. જો કે આસાએ ભક્તિનાં બધાં જ વિધર્મી ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો નહોતો, પણ તે પોતાના જીવનભર પ્રભુ પ્રત્યે પૂરો નિષ્ઠાવાન રહ્યો. તેના પિતાએ ઈશ્વરને અર્પેલી બધી સાધનસામગ્રી તેમ જ તેણે પોતે અર્પેલી સોનાચાંદીની બધી સાધનસામગ્રી તેણે પ્રભુના મંદિરમાં મૂકી. યહૂદિયાના રાજા આસા અને ઇઝરાયલના રાજા બાશા વચ્ચે તેમની સત્તાના સમયમાં સતત સંઘર્ષ જારી રહ્યો. ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયાની અવરજવર બંધ કરી દેવા રામા નગરને કિલ્લેબંધીવાળું કરવા માંડયું. તેથી આસા રાજાએ પ્રભુના મંદિરમાં અને રાજમહેલમાં બાકી રહેલું સઘળું સોનુંચાંદી લઈ પોતાના કેટલાક અમલદારો મારફતે હેઝિયોનના પૌત્ર અને તાબ્રીમ્મોનના પુત્ર દમાસ્ક્સમાં રહેતા અરામના રાજા બેનહદાદ પર આવા સંદેશા સાથે મોકલ્યું: “તમારા અને મારા પિતા વચ્ચે રાજમૈત્રી હતી; આપણે એ મૈત્રી જાળવીએ. મેં તમને આ સોનારૂપાની ભેટ મોકલી છે. હવે ઇઝરાયલના રાજા બાશા સાથેનો તમારો રાજસંબંધ કાપી નાખો; જેથી તે મારી સરહદમાંથી પોતાનું દળ ખેંચી લે.” બેનહદાદ રાજાએ આસાની દરખાસ્ત માન્ય રાખી અને પોતાના સેનાપતિઓ અને તેમનાં લશ્કરોને ઇઝરાયલનાં નગરો પર ત્રાટકવા મોકલ્યાં. તેમણે આયોન, દાન, આબેલબેથમાકા, ગાલીલ સરોવર નજીકનો પ્રદેશ અને આખો નાફતાલીનો પ્રદેશ કબજે કર્યાં. બાશા રાજાને એની ખબર પડતાં તેણે રામાને કિલ્લેબંધી કરવાનું પડતું મૂકી તિર્સા ગયો. પછી આસા રાજાએ સમસ્ત યહૂદિયામાં હુકમ ફરમાવ્યો કે રામાને કિલ્લેબંધી કરવા બાશા જે પથ્થરો અને લાકડાં વાપરતો હતો તે ઊંચકી લાવવામાં એકેએક જણ મદદ કરે; એ સામગ્રી વડે આસાએ બિન્યામીનના પ્રદેશનાં મિસ્પા અને ગેબા નગરોને કિલ્લેબંધીવાળાં બનાવ્યાં. આસાનાં બાકીના કાર્યો, તેનાં પરાક્રમી કામો અને તેણે જે જે નગરોને કિલ્લેબંધીવાળાં બનાવ્યાં એ બધાની વિગતો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં નોંધેલી છે. પણ તેની વૃદ્ધાવસ્થામાં તેને પગે દરદ થયું. આસા મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો. યહૂદિયાના રાજા આસાના અમલના બીજા વર્ષમાં યરોબામનો પુત્ર નાદાબ ઇઝરાયલનો રાજા બન્યો અને તેણે બે વર્ષ રાજ કર્યું. તેના પિતાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું અને ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું. ઈસ્સાખારના કુળના અહિયાના પુત્ર બાશાએ નાદાબ વિરુદ્ધ કાવતરું ઘડયું અને નાદાબ તથા તેના સૈન્યે પલિસ્તીયામાં ગિબ્બેથોન નગરને ઘેરો ઘાલ્યો હતો ત્યારે તેણે તેને મારી નાખ્યો. યહૂદિયાના રાજા આસાના અમલના ત્રીજા વર્ષમાં એ બન્યું. અને એમ નાદાબ પછી બાશા રાજા બન્યો. તેણે તરત જ યરોબામના કુટુંબનો સંહાર શરૂ કરી દીધો. પ્રભુએ પોતાના સેવક શીલોમાંના સંદેશવાહક અહિયા મારફતે જે કહ્યું હતું તે પ્રમાણે યરોબામનું આખુંય કુટુંબ માર્યું ગયું, એકપણ સભ્ય બચ્યો નહિ. યરોબામે પોતે પાપ કરીને અને ઇઝરાયલ પાસે પાપ કરાવીને પ્રભુને કોપાયમાન કર્યા હતા તેને લીધે એ બધું બન્યું. નાદાબનાં બાકીનાં કૃત્યો ઇઝરાયલના રાજાના ઇતિહાસમાં નોંધેલાં છે. યહૂદિયાનો રાજા આસા અને ઇઝરાયલનો રાજા બાશા તેમના શાસનકાળ દરમ્યાન એકબીજા સાથે સતત સંઘર્ષમાં રહ્યા. યહૂદિયાના રાજા આસાના ત્રીજા વર્ષમાં અહિયાનો પુત્ર બાશા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે તિર્સામાં ચોવીસ વર્ષ રાજ કર્યું. પોતાની અગાઉના રાજા યરોબામની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું અને ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું. પ્રભુએ હનાનીના પુત્ર સંદેશવાહક યેહૂ સાથે વાત કરીને તેને બાશા માટે આ સંદેશો આપ્યો: “હે બાશા, તારી કંઈ વિસાત નહોતી, પણ મેં તને મારા લોક ઇઝરાયલનો શાસક બનાવ્યો. પણ હવે તેં યરોબામની માફક પાપ કર્યું છે અને મારા લોક પાસે પાપ કરાવ્યું છે. તમારાં પાપથી હું રોષે ભરાયો છું, અને મેં યરોબામના સંબંધમાં કર્યું તેમ હું તારું અને તારા કુટુંબનું નિકંદન કાઢી નાખીશ. તારા કુટુંબનું જે કોઈ નગરમાં મરશે તેને કૂતરાં ફાડી ખાશે, અને જે કોઈ વગડામાં મરશે તેને ગીધો ચૂંથી ખાશે.” બાશાનાં બાકીનાં કાર્યો અને તેનાં પરાક્રમો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે. બાશા મરણ પામ્યો અને તેને તિર્સામાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર એલા રાજા બન્યો. બાશાએ પ્રભુની વિરુદ્ધ કરેલાં પાપોને લીધે સંદેશવાહક યેહૂ દ્વારા બાશા અને તેના કુટુંબ વિરુદ્ધ પ્રભુનો એ સંદેશો આવ્યો હતો. તેણે યરોબામની જેમ મૂર્તિઓની પૂજા કરીને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. વળી, તેણે યરોબામ રાજાના આખા કુટુંબનો સંહાર કર્યો તેથી તેના પર પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો. યહૂદિયાના રાજા આસાના અમલના છવ્વીસમા વર્ષમાં બાશાનો પુત્ર એલા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે તિર્સામાં બે વર્ષ રાજ કર્યું. ઝિમ્રી નામનો તેનો એક અધિકારી જે તેના અડધા રથોનો ઉપરી હતો તેણે તેની સામે વિદ્રોહ કર્યો. એ દિવસે તિર્સામાં રાજમહેલના ઉપરી આઝાના ઘરમાં એલા પીને ચકચૂર થયેલો હતો. ઝિમ્રીએ ઘરમાં પેસીને તેની ક્તલ કરી નાખી અને તેના પછી રાજા બની બેઠો. યહૂદિયાના રાજા આસાના અમલના સત્તાવીસમા વર્ષમાં એ બન્યું. ઝિમ્રી રાજા બન્યો કે તેણે બાશાનો કોઈ રાજવારસ રહે નહિ એ રીતે તેના કુટુંબના સર્વ માણસોને મારી નાખ્યા. તેણે તેના સંબંધીઓ અને મિત્રો માંથી એકેએક પુરુષને મારી નાખ્યો. અને એમ સંદેશવાહક યેહૂ મારફતે પ્રભુએ બાશા વિરુદ્ધ જે ભવિષ્ય ભાખ્યું હતું તે મુજબ ઝિમ્રીએ બાશાના આખા કુટુંબનો સંહાર કર્યો. બાશા અને તેના પુત્ર એલાએ મૂર્તિપૂજા કરીને ઇઝરાયલને પણ એ પાપમાં પાડીને ઇઝરાયલના ઈશ્વર પ્રભુને કોપાયમાન કર્યા. એલાનાં બાકીનાં કાર્યો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. યહૂદિયાના રાજા આસાના અમલના સત્તાવીસમા વર્ષમાં ઝિમ્રીએ તિર્સામાં ઇઝરાયલ પર સાત દિવસ રાજ કર્યું. ઇઝરાયલી દળોએ પલિસ્તિયામાં ગિબ્બેથોન નગરને ઘેરો ઘાલ્યો હતો. તેમણે જ્યારે સાંભળ્યું કે ઝિમ્રીએ રાજા સામે વિદ્રોહ કરીને તેને મારી નાખ્યો છે ત્યારે તેમણે ત્યાં લશ્કરી છાવણીમાં જ સેનાપતિ ઓમ્રીને ઇઝરાયલના રાજા તરીકે જાહેર કરી દીધો. ઓમ્રી અને તેનાં દળોએ ગિબ્બેથોનને પડતું મૂકી તિર્સા જઈને તેને ઘેરો ઘાલ્યો. જ્યારે ઝિમ્રીએ જોયું કે નગરનું પતન થયું છે ત્યારે તે રાજમહેલના અંદરના કિલ્લામાં પેસી ગયો અને રાજમહેલને આગ લગાડીને તેમાં બળી મૂઓ. પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં તેનાં આચરણને લીધે એ બન્યું. તેના પુરોગામી યરોબામની માફક તેણે પણ પોતાનાં પાપથી અને ઇઝરાયલને પાપમાં પાડીને પ્રભુને નારાજ કર્યા. ઝિમ્રીનો રાજદ્રોહ અને તેનાં બાકીનાં કાર્યો ઇઝરાયલના રાજાઓનાં ઇતિહાસમાં નોંધેલાં છે. દરમ્યાનમાં ઇઝરાયલના લોકોમાં ભાગલા પડી ગયા. કેટલાક તિબ્નીના પુત્ર ગિનાથને રાજા બનાવવા માગતા હતા, તો કેટલાક ઓમ્રીના પક્ષના હતા. છેવટે ઓમ્રીના પક્ષનો વિજય થયો; તિબ્ની મરણ પામ્યો અને ઓમ્રી રાજા બન્યો. એમ યહૂદિયાના રાજા આસાના અમલના એકત્રીસમા વર્ષમાં ઓમ્રી ઇઝરાયલનો રાજા બન્યો અને તેણે બાર વર્ષ રાજ કર્યું. પ્રથમ છ વર્ષ તેણે તિર્સામાં રાજ કર્યું. તે પછી શેમેર નામના એક માણસ પાસેથી ચાંદીના છ હજાર સિક્કા આપીને તેણે સમરૂનનો પર્વત ખરીદ્યો. ઓમ્રીએ પર્વતની ચોગરદમ કિલ્લો બાંધ્યો, તે પર નગર વસાવ્યું અને પર્વતના આદ્ય માલિક શેમેરના નામ પરથી તેનું નામ સમરૂન પાડયું. ઓમ્રીએ તેના સર્વ પુરોગામીઓ કરતાં પ્રભુ વિરુદ્ધ વિશેષ પાપ કર્યું. તેની અગાઉના યરોબામની માફક પોતાના પાપથી અને લોકોને પાપ અને મૂર્તિપૂજા તરફ દોરી જઈને તેણે પ્રભુને કોપાયમાન કર્યા. ઓમ્રીનાં બાકીનાં કાર્યો અને તેની સિદ્ધિઓ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે. ઓમ્રી મરણ પામ્યો અને તેને સમરૂનમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર આહાબ રાજા બન્યો. ઇઝરાયલનો રાજા આહાબ યહૂદિયાના રાજા આસાના અમલના આડત્રીસમા વર્ષમાં ઓમ્રીનો પુત્ર આહાબ ઇઝરાયલનો રાજા બન્યો. તેણે સમરૂનમાં બાવીસ વર્ષ રાજ કર્યું. તેના સર્વ પુરોગામીઓ કરતાં તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણ કર્યાં. યરોબામ રાજાની જેમ પાપ કરવું તેના માટે પૂરતું ન હોય તેમ તેણે સિદોનના રાજા એથબાલની પુત્રી ઇઝબેલ સાથે લગ્ન કર્યાં અને બઆલની ભક્તિ કરી. તેણે સમરૂનમાં બઆલનું મંદિર બાંધ્યું અને તેની વેદી બનાવીને તેમાં મૂકી. તેણે અશેરા દેવીની પ્રતિમા પણ બનાવી પોતાની અગાઉ થઈ ગયેલા ઇઝરાયલના સર્વ રાજાઓ કરતાં તેણે ઇઝરાયલના ઈશ્વર પ્રભુને રોષ ચઢે તેવાં વધારે કામ કર્યાં. તેના અમલ દરમ્યાન બેથેલના હિએલે યરીખો બાંધ્યું. નૂનના પુત્ર યહોશુઆ મારફતે પ્રભુએ ભવિષ્ય ભાખ્યું હતું તેમ હિએલે યરીખોનો પાયો નાખ્યો ત્યારે તેનો જ્યેષ્ઠપુત્ર અબિરામ મરણ પામ્યો અને તેના દરવાજા બાંયા ત્યારે તેનો સૌથી નાનો પુત્ર સગૂબ મરણ પામ્યો. ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.” પછી પ્રભુએ એલિયાને કહ્યું, “અહીંથી તું પૂર્વ તરફ જા અને યર્દનની પૂર્વે કરીથ વહેળા પાસે સંતાઈ રહે. વહેળામાંથી તને પીવાનું પાણી મળી રહેશે અને ત્યાં તારે માટે ખોરાક લાવવાની મેં કાગડાઓને આજ્ઞા કરી છે.” એલિયા પ્રભુની આજ્ઞા માનીને કરીથ વહેળા પાસે જઈ ત્યાં રહ્યો. તે વહેળામાંથી પાણી પીતો અને કાગડાઓ તેને માટે રોજ સવારે અને સાંજે રોટલી અને માંસ લાવતા. વરસાદને અભાવે વહેળો થોડા વખત પછી સુકાઈ ગયો. એલિયા અને સારફાથની વિધવા પછી પ્રભુએ એલિયાને કહ્યું, “હવે, સિદોન પાસે સારફાથ નગરમાં જા અને ત્યાં રહે. ત્યાં રહેતી એક વિધવાને મેં તને ખવડાવવાની આજ્ઞા કરી છે.” તેથી એલિયા સારફાથ ગયો અને તે નગરને દરવાજે પહોંચ્યો ત્યારે તેણે એક વિધવાને બળતણ માટે લાકડાં વીણતી જોઈ. તેણે તેને કહ્યું, “કૃપયા માટે માટે થોડું પાણી લાવજે.” તે પાણી લેવા જતી હતી એવામાં તેણે બૂમ પાડી. “વળી, મારે માટે થોડી રોટલી પણ લેતી આવજે.” તેણે જવાબ આપ્યો, “તમારા ઈશ્વર પ્રભુના જીવના સોગંદ ખાઈને કહું છું કે મારી પાસે એકેય રોટલી નથી. મારી પાસે માત્ર માટલીમાં મુઠ્ઠીભર લોટ અને બરણીમાં થોડુંક ઓલિવ તેલ છે. હું અહીં થોડા લાકડાં વીણવા આવી છું, જે લઈને હું મારા પુત્ર અને મારે માટે થોડુંક તૈયાર કરીશ. એ અમારું છેલ્લું ભોજન હશે, પછી અમે ભૂખે મરી જઈશું.” એલિયાએ તેને કહ્યું, “ચિંતા ન કરીશ. જા, જઈને તારો ખોરાક તૈયાર કર. પણ તેમાંથી પ્રથમ મારે માટે એક ટુકડો રોટલી બનાવી લાવ અને પછી તારે માટે અને તારા પુત્ર માટે બાકીના લોટમાંથી રોટલી બનાવજે. કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ કહે છે: ‘હું પ્રભુ વરસાદ મોકલું તે પહેલાં માટલીનો લોટ અને બરણીમાંનું તેલ ખૂટી જશે નહિ.” વિધવાએ જઈને એલિયાના કહેવા પ્રમાણે કર્યું અને તેમને ઘણા દિવસ સુધી પૂરતો ખોરાક મળ્યો. એલિયા દ્વારા પ્રભુએ આપેલા સંદેશ પ્રમાણે માટલીમાંનો લોટ કે બરણીમાંનું તેલ ખૂટી ગયાં નહિ. કેટલાક દિવસ પછી એ વિધવાનો પુત્ર બીમાર પડયો. તેની માંદગી વધતી ગઈ અને છેવટે તે મરણ પામ્યો. વિધવાએ એલિયાને કહ્યું, “ઓ ઈશ્વરભક્ત, તમે મને આમ કેમ કર્યું? તમે અહીં ઈશ્વરને મારાં પાપની યાદ દેવડાવવા અને મારા પુત્રનું મરણ નિપજાવવા આવ્યા હતા?” એલિયાએ કહ્યું, “તારો પુત્ર મને આપ.” પછી તેણે છોકરાને તેના હાથમાંથી લઈ લીધો અને તે રહેતો હતો ત્યાં તેને ઉપલે માળે ઊંચકી ગયો અને તેને પોતાની પથારીમાં સુવાડયો. પછી તેણે મોટેથી પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, મારા ઈશ્વર, તમે આ વિધવા પર આવી આફત કેમ આણી છે? તેણે મારી સારસંભાળ લીધી છે અને તમે હવે તેના પુત્રને મારી નાખ્યો છે!” પછી એલિયા એ છોકરા પર ત્રણ વખત લાંબો થઈ સૂઈ ગયો અને પ્રાર્થના કરી. “ઓ પ્રભુ, મારા ઈશ્વર, આ છોકરાને સજીવન કરો!” પ્રભુએ એલિયાની પ્રાર્થના સાંભવી; છોકરો શ્વાસોચ્છવાસ લેવા લાગ્યો અને સજીવન થયો. એલિયા છોકરાને તેની મા પાસે નીચે લઈ ગયો અને તેને કહ્યું, “જો, તારો પુત્ર જીવે છે.!” તેણે કહ્યું, “હવે હું જાણું છું કે તમે ઈશ્વરભક્ત છો અને પ્રભુ સાચે જ તમારી મારફતે બોલે છે.” કેટલાક વખત પછી, દુકાળના ત્રીજે વર્ષે પ્રભુએ એલિયાને કહ્યું, “જા, આહાબ સમક્ષ હાજર થા અને હું વરસાદ મોકલીશ.” તેથી એલિયા આહાબને મળવા ઉપડયો. સમરૂનમાં ભયંકર દુકાળ હતો, તેથી આહાબે રાજમહેલના કારભારી ઓબાદ્યાને બોલાવ્યો. (ઓબાદ્યા પ્રભુનો નિષ્ઠાવાન ભક્ત હતો, અને ઇઝબેલ પ્રભુના સંદેશવાકોને મારી નાખતી હતી ત્યારે ઓબાદ્યાએ સો સંદેશવાહકોને પચાસ પચાસના બે જૂથમાં વહેંચી દઈને ગુફામાં સંતાડયા હતા અને તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં.) આહાબે ઓબાદ્યાને કહ્યું, “ચાલ, આપણે પ્રત્યેક ઝરણે અને દેશમાં નદીઓનાં મેદાનોમાં ફરી વળીએ અને જોઈએ કે ઘોડા અને ગધેડાંને જીવતા રાખવા પૂરતું ઘાસ મળે તેમ છે કે નહિ, તેથી કદાચ આપણાં કોઈ પ્રાણીઓને મારી નાખવાનો વારો આવે નહિ.” દેશના કયા ભાગમાં કોણે શોધ કરવા જવું તે બન્‍નેએ નક્કી કરી લીધું અને પછી અલગ અલગ દિશામાં ઉપડયા. ઓબાદ્યા માર્ગે જતો હતો ત્યારે તેને એકાએક એલિયા મળ્યો. તેણે તેને ઓળખ્યો અને તેને નમન કરીને પૂછયું, “મારા માલિક, એ તમે છો?” તેણે જવાબ આપ્યો, “હા, હું એલિયા છું. જા, તારા માલિક રાજાને કહે કે હું અહીં છું.” ઓબાદ્યાએ કહ્યું, “મેં આપનો શો અપરાધ કર્યો છે કે આહાઝ રાજા મને મારી નાખે એવા જોખમમાં નાખો છો? તમારા ઈશ્વર પ્રભુના જીવના સમ ખાઈને કહું છું કે દુનિયાના દેશેદેશમાં રાજાએ તમારી શોધ કરાવી છે. જ્યારે કોઈ દેશનો શાસનર્ક્તા એવોે અહેવાલ આપે કે તમે તેના દેશમાં નથી ત્યારે તમે ત્યાં નથી એવા શપથ આહાબે તે દેશના શાસનર્ક્તા પાસે લેવડાવ્યા છે, અને હવે તમે અહીં છો એવું તેને કહેવા મને કહો છો? હું અહીંથી જઉં અને પ્રભુનો આત્મા તમને કોઈ અજાણે સ્થળે ઉપાડી જાય તો શું? પછી હું જઈને આહાબને કહું કે તમે અહીં છો અને પછી તમે તેને મળો નહિ તો તે મને મારી નાખશે. હું નાનો હતો ત્યારથી હું પ્રભુનો નિષ્ઠાવાન ભક્ત રહ્યો છું એ યાદ રાખશો. ઇઝબેલ પ્રભુના સંદેશવાહકોને મારી નાખતી હતી ત્યારે મેં પચાસ પચાસના બે જૂથમાં સો સંદેશવાહકોને ગુફામાં સંતાડી રાખી તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં તે શું તમારા જાણવામાં નથી આવ્યું? તેથી તમે અહીં છો એવું રાજાને કહેવા તમે મને કેમ આજ્ઞા આપો છો? તે મને મારી નાખશે.” *એલિયાએ જવાબ આપ્યો, “સર્વસમર્થ પ્રભુ જેમની સેવા હું કરું છું તેમના જીવના સમ દઈને કહું છું કે હું આજે રાજા સમક્ષ રજૂ થઈશ.” તેથી ઓબાદ્યાએ રાજા પાસે જઈને તેને તે કહ્યું, અને આહાબ એલિયાને મળવા ઉપડયો. આહાબે તેને જોયો એટલે તેને કહ્યું, “ઇઝરાયલ પર ભયાનક આફત ઉતારનાર તમે અહીં છો!” એલિયાએ જવાબ આપ્યો, “આફત ઉતારનાર હું નહિ, પણ તમે અને તમારા પિતા છો. તમે પ્રભુની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરો છો અને બઆલની મૂર્તિઓની પૂજા કરો છો. હવે સર્વ લોકો મને ર્કામેલ પર્વત પર મળે એવો હુકમ કરો. ઇઝબેલ રાણી જેમનું પાલનપોષણ કરે છે તે બઆલના ચારસો પચાસ સંદેશવાહકો અને અશેરા દેવીના ચારસો સંદેશવાહકોને પણ બોલાવી લાવજો.” તેથી આહાબે સર્વ ઇઝરાયલીઓને અને બઆલના સંદેશવાહકોને ર્કામેલ પર્વત પર એકઠા કર્યા. એલિયાએ લોકો પાસે જઈને તેમને કહ્યું, “તમે ક્યાં સુધી બે મન વચ્ચે ડગમગ થયા કરશો? યાહવે ઈશ્વર હોય તો તેમની ઉપાસના કરો; પણ બઆલ ઈશ્વર હોય તો તેની ઉપાસના કરો.” પણ લોકો એક શબ્દ પણ બોલ્યા નહિ. પછી એલિયાએ કહ્યું, “હું એકલો જ પ્રભુનો સંદેશવાહક રહ્યો છું, પણ બઆલના તો ચારસો પચાસ સંદેશવાહકો છે. તો હવે બે આખલા લાવો. બઆલના સંદેશવાહકો એક આખલો લઈ તેના કાપીને ટુકડા કરે અને લાકડાં પર મૂકે, પણ તળે અગ્નિ ચાંપે નહિ. બીજો આખલો લઈને હું પણ એ જ પ્રમાણે કરીશ. પછી બઆલના સંદેશવાહકો તેમના દેવની પ્રાર્થના કરે અને હું યાહવેને નામે પ્રાર્થના કરીશ, અને જે અગ્નિ મોકલીને જવાબ આપે એ જ સાચા ઈશ્વર.” ત્યારે લોકોએ બુલંદ અવાજે પોતાની સંમતિ દર્શાવી. પછી એલિયાએ બઆલના સંદેશવાહકોને કહ્યું, “તમે ઘણા છો, તેથી તમે પ્રથમ આખલો લઈ તેને તૈયાર કરો. તમારા દેવને પ્રાર્થના કરો, પણ લાકડાંમાં અગ્નિ મૂકશો નહિ.” તેમણે તેમને આપવામાં આવેલો આખલો લઈને તેને તૈયાર કર્યો અને બપોર સુધી બઆલની પ્રાર્થના કરી. તેમણે સવારથી પોકાર કર્યા કર્યો, “બઆલ, અમને જવાબ આપો.” વળી, પોતે બાંધેલી વેદીની આસપાસ તેઓ નાચતા-કૂદતા રહ્યા. પણ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ. બપોરે એલિયા તેમની મશ્કરી કરવા લાગ્યો; “હજુ વધુ જોરથી પ્રાર્થના કરો! તે દેવ છે! કદાચ તે વિચારમાં ડૂબી ગયો હશે અથવા કંઈક કામમાં રોકાઈ ગયો હશે અથવા કદાચ મુસાફરીએ પણ ઉપડયો હશે! કદાચ તે ઊંઘતો હશે અને તમારે તેને જગાડવો પડશે.” તેથી એ સંદેશવાહકોએ વધુ મોટા પોકાર કર્યા અને તેમની વિધિ પ્રમાણે લોહી વહી નીકળે ત્યાં સુધી પોતાને છરી ખંજરોથી ઘાયલ કર્યા. બપોર વીતી ગયા અને છેક સંયાબલિનો સમય થવા આવ્યો ત્યાં સુધી તેમણે બૂમબરાડા પાડી લવારો કર્યા કર્યો; પણ કંઈ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ, એક શબ્દ પણ સંભળાયો નહિ. પછી એલિયાએ લોકોને કહ્યું, “મારી નજીક આવો.” તેઓ તેની આસપાસ એકઠા થયા. પ્રભુની જે વેદી તોડી પાડવામાં આવી હતી તે તેણે સમારી. પ્રભુએ જેનું નામ ઇઝરાયલ પાડયું હતુ ં તે યાકોબના પુત્રોનાં નામ પરથી થયેલાં બાર કુળો માટે તેણે પ્રત્યેક કુળદીઠ એક એમ બાર પથ્થર લીધા. પ્રભુની આરાધના કરવા માટે તેણે એ પથ્થરોની વેદી બનાવી. તેણે વેદીની આસપાસ લગભગ ચૌદ લિટર પાણી સમાય એવી ખાઈ ખોદી. પછી તેણે વેદી પર લાકડાં મૂક્યાં, આખલો કાપીને તેના ટુકડા કર્યા અને તેણે લાકડા પર મૂક્યા. તેણે કહ્યું, “પાણીનાં ચાર કુંડા ભરીને તેને અર્પણ તથા લાકડાં પર રેડો.” તેમણે તેમ કર્યું. વળી, તેણે કહ્યું, “ફરી એમ કરો,” એટલે તેમણે તેમ કર્યું, તેણે કહ્યું, “હજુ વધુ એકવાર એમ કરો,” એટલે તેમણે તેમ કર્યું. આખી વેદી પર પાણી વહેવા લાગ્યું અને ખાઈ પણ પાણીથી ભરાઈ ગઈ. સંયાબલિના સમયે એલિયા સંદેશવાહકે વેદી નજીક જઈને પ્રાર્થના કરી, “હે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર યાહવે, તમે ઇઝરાયલના ઈશ્વર છો અને હું તમારો સેવક છું અને તમારી આજ્ઞા પ્રમાણે મેં આ બધું કર્યું છે એની પ્રતીતિ કરાવો. પ્રભુ, મને જવાબ આપો, જવાબ આપો; જેથી લોકો જાણે કે તમે યાહવે જ ઈશ્વર છો, અને તેમને તમારા તરફ વાળનાર પણ તમે જ છો.” પ્રભુએ અગ્નિ મોકલીને બલિદાન, લાકડાં અને પથ્થર તથા માટીને બાળીને ભસ્મ કરી નાખ્યાં અને ખાઈમાંનું પાણી સૂકાઈ ગયું. એ જોઈને લોકો જમીન પર ઊંધા પડી ગયા અને બોલી ઊઠયા, “યાહવે જ ઈશ્વર છે, એકલા પ્રભુ જ ઈશ્વર છે.” એલિયાએ હુકમ કર્યો, “બઆલના સંદેશવાહકોને પકડો; તેમને છટકી જવા દેશો નહિ.” લોકોએ એ સૌને પકડયા. એલિયાએ તેમને કિશોન ઝરણાએ લઈ જઇને મારી નાખ્યા. પછી એલિયાએ આહાબ રાજાને કહ્યું, “જાઓ, હવે જઈને ખાઓ. મને આવનાર વરસાદની ગર્જના સંભળાય છે.” આહાબ જમવા ગયો ત્યારે એલિયા ર્કામેલ પર્વતના શિખર પર ચઢી ગયો અને પોતાના ઘૂંટણો વચ્ચે માથું રાખી જમીન પર નમી પડયો. તેણે પોતાના નોકરને કહ્યું, “જા, જઈને સમુદ્ર તરફ જો.” નોકર જોઈને પાછો ફર્યો અને કહ્યું, “મને તો કંઈ દેખાતું નથી.” એલિયાએ તેને સાત વાર જઈને જોવા કહ્યું. તે સાતમી વખત પાછો ફર્યો ત્યારે તેણે કહ્યું, “મેં સમુદ્રમાંથી માણસની હથેલી જેટલું નાનું વાદળ ચડતું જોયું.” એલિયાએ તેના નોકરને કહ્યું, “આહાબ રાજા પાસે જઈને તેને કહે કે વરસાદ તેને રોકે તે પહેલાં તેના રથમાં બેસી ઘેર ચાલ્યો જાય.” થોડી વારમાં તો આકાશ ગાઢ વાદળાંથી ઘેરાયું, પવન સુસવાટા મારવા લાગ્યો અને ભારે વરસાદ વરસવા લાગ્યો. આહાબ રથમાં બેસીને યિઝ્રએલ જવા ઉપડયો. એલિયા પર પ્રભુનું પરાક્રમ આવ્યું, પોતાની કમર કાસીને તે છેક યિઝ્રએલ સુધી આહાબના રથની આગળ આગળ દોડયો. એલિયાએ જે કર્યું તે બધું અને તેણે કેવી રીતે બઆલના બધા સંદેશવાહકોને મારી નાખ્યા હતા તે આહાબ રાજાએ પોતાની પત્ની ઇઝબેલને કહ્યું. ઇઝબલે એલિયાને સંદેશો મોકલ્યો: “એ સંદેશવાહકોને તેં જે કર્યું તે આવતી કાલે આ સમય સુધીમાં હું તને ન કરું તો દેવો મારું મરણ નિપજાવો.” એલિયા ગભરાયો, અને જીવ લઈ નાઠો; પોતાના સેવકને લઈને તે યહૂદિયાના બેરશેબામાં ગયો. એલિયા ચાલતાં જતાં એક આખો દિવસ લાગે તેટલે અંતરે રણપ્રદેશમાં ગયો. તે થોભ્યો અને એક ઘટાદાર રોતેમ નામના વૃક્ષ નીચે બેઠો અને મોત માગ્યું. તેણે પ્રાર્થના કરી, “પ્રભુ, બસ, હવે બહુ થયું. મારો જીવ લઈ લો. હું ય હવે મરી જઈને મારા પૂર્વજો સાથે ભળી જઉં તો સારું.” તે વૃક્ષ નીચે આરામ લેવા પડયો અને ઊંઘી ગયો. એકાએક દૂતે તેને અડકીને કહ્યું, “ઊઠ અને ખા.” તેણે આસપાસ જોયું તો તેના માથા પાસે રોટલી અને પાણીની મશક જોયાં. ખાઈપીને તે પાછો આરામ લેવા પડ્યો. પ્રભુના દૂતે પાછા આવીને તેને બીજી વાર જગાડયો અને કહ્યું, “ઊઠીને ખા, કારણ, તારે ઘણી લાંબી મુસાફરી કરવાની છે.” એલિયાએ ઊઠીને ખાધું અને પીધું અને પવિત્ર પર્વત હોરેબ સુધી ચાલીસ દિવસ ચાલતાં જવા તેનામાં ખોરાકથી જરૂરી શક્તિ આવી. રાત ગાળવા તે એક ગુફામાં ગયો. એકાએક પ્રભુએ તેની સાથે વાત કરી, “એલિયા, તું અહીં શું કરે છે?” તેણે જવાબ આપ્યો, “સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, માત્ર મેં જ તમારા પ્રત્યે અનન્ય નિષ્ઠા દાખવી છે; પણ ઇઝરાયલના લોકોએ તમારી સાથેનો કરાર તોડ્યો છે, તમારી વેદીઓ તોડી નાખી છે અને તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે. માત્ર હું એકલો જ બાકી રહ્યો છું અને તેઓ મને પણ મારી નાખવા માગે છે!” પ્રભુએ તેને કહ્યું, “જા, પર્વતની ટોચે જઈને મારી આગળ ઊભો રહે.” પછી પ્રભુ પસાર થયા અને પર્વતોને તોડી નાખતો ભારે પવન વાયો; પણ પ્રભુ તે પવનમાં નહોતા. પવન વાયા પછી ધરતીકંપ થયો; પણ પ્રભુ તે ધરતીકંપમાં નહોતા. ધરતીકંપ પછી અગ્નિ આવ્યો; પણ પ્રભુ અગ્નિમાં પણ નહોતા. અગ્નિ પછી એક ધીમો કોમળ અવાજ હતો. એ સાંભળીને એલિયા પોતાના ઝભ્ભાથી પોતાનું મોં ઢાંકીને બહાર નીકળ્યો અને ગુફાના પ્રવેશદ્વારે ઊભો રહ્યો. તેની પાસે અવાજ આવ્યો, “એલિયા, તું અહીં શું કરે છે?” તેણે જવાબ આપ્યો, “સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, માત્ર મેં જ તમારા પ્રત્યે અનન્ય નિષ્ઠા દાખવી છે. પણ ઇઝરાયલના લોકોએ તમારી સાથેનો કરાર તોડ્યો છે, તમારી વેદીઓ તોડી નાખી છે અને તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે. માત્ર હું એકલો જ બાકી રહ્યો છું અને તેઓ મને પણ મારી નાખવા માગે છે!” પ્રભુએ કહ્યું, “પાછો ફર અને દમાસ્ક્સના રણપ્રદેશમાં જા. ત્યાં નગરમાં જઈને હઝાએલનો અરામના રાજા તરીકે અભિષેક કરજે; ઇઝરાયલના રાજા તરીકે નિમ્શીના પુત્ર યેહૂનો અભિષેક કર અને તારા પર સંદેશવાહક થવા આબેલ-મહોલાના શાફાટના પુત્ર એલિશાનો અભિષેક કરજે. હઝાએલની તલવારથી મોત પામતાં જે બચી જશે તે યેહૂની તલવારથી માર્યો જશે અને યેહૂની તલવારથી મોત પામતાં જે બચી જશે તેનો સંહાર એલિશા કરી નાખશે. તેમ છતાં ઇઝરાયલમાં જેઓ મને વફાદાર રહ્યા છે અને બઆલ અગાળ નમ્યા નથી કે તેની મૂર્તિને ચુમ્યા નથી તેવા સાત હજાર માણસોને હું બચાવી રાખીશ.” એલિયા ઉપડયો અને તેને શાફાટનો પુત્ર એલિશા બળદોની બાર જોડથી ખેડતો મળ્યો. તેની આગળ અગિયાર જોડ હતી અને તે છેલ્લી જોડની સાથે હતો. એલિયાએ પોતાનો ઝભ્ભો કાઢીને એલિશા પર નાખ્યો; ત્યારે એલિશા પોતાના બળદો મૂકી દઈને એલિયા પાછળ દોડયો અને તેને કહ્યું, “મને મારા માતાપિતાને ચુંબન કરી તેમની વિદાય લઈ આવવા દો, પછી હું તમારી સાથે આવીશ.” એલિયાએ કહ્યું, “ભલે જા, જઈને પાછો આવ; પણ મેં તને શું કર્યું છે?” પછી એલિશા તેના બળદની જોડ પાસે ગયો અને તેમને કાપ્યા પછી બળતણ માટે ઝૂંસરી વાપરીને તેણે ખોરાક રાંયો. તેણે લોકોને માંસ આપ્યું એટલે તેમણે તે ખાધું. પછી એ એલિયાની પાછળ ગયો અને તેનો સહાયક બન્યો. અરામના રાજા બેનહદાદે તેનાં બધાં લશ્કરી દળો એકત્ર કર્યાં અને બીજા બત્રીસ રાજાઓનો તેમના ઘોડા અને રથો સહિત ટેકો મેળવી સમરૂન પર કૂચ કરી તેને ઘેરો ઘાલ્યો અને તેના પર હુમલા કર્યા. તેણે નગરમાં સંદેશકો મોકલીને ઇઝરાયલના રાજા આહાબને કહેવડાવ્યું, “રાજા બેનહદાદની એવી માગણી છે કે તું તારું સોનુંરૂપું, તારી સ્ત્રીઓ અને તારા સૌથી સશક્ત સંતાનો એમને સ્વાધીન કરી દે.” આહાબે જવાબ આપ્યો, “રાજાને એટલે મારા માલિકને કહેજો કે હું તેમ કરવા સંમત છું; હું તથા મારું સર્વસ્વ તેમના જ છીએ.” તે પછી સંદેશકો આહાબ પાસે બેનહદાદની બીજી માગણી લઈને આવ્યા: “મેં તને સંદેશો મોકલ્યો હતો કે તારે તારું સોનું રૂપું, તારી સ્ત્રીઓ અને તારા સૌથી સશક્ત સંતાનો મારે હવાલે કરી દેવાં. હવે મારા અમલદારો તારા રાજમહેલમાં અને તારા અમલદારોનાં ઘરમાં શોધ ચલાવશે અને તેમને મૂલ્યવાન લાગતી બધી વસ્તુઓ લઈ લેશે. આવતી કાલે આ સમયે તેઓ ત્યાં આવશે.” આહાબ રાજાએ દેશના બધા આગેવાનોને બોલાવડાવ્યા અને તેમને કહ્યું, “તમે જુઓ છો ને કે આ માણસ આપણને ખેદાનમેદાન કરી નાખવા માગે છે. તેણે મારી પત્નીઓ, મારાં સંતાનો અને મારું સોનુંચાંદી માગતો સંદેશો મારા પર મોકલ્યો અને હું કબૂલ થયો.” આગેવાનોએ અને લોકોએ કહ્યું, “તેનું કંઈ સાંભળશો નહિ કે તેને તાબે થશો નહિ.” તેથી આહાબે બેનહદાદના સંદેશકોને જવાબ આપ્યો, “રાજાને એટલે મારા માલિકને કહેજો કે તેમની પ્રથમ માગણી મને માન્ય છે, પણ હું બીજી માગણી સ્વીકારી શકું તેમ નથી.” સંદેશકો ગયા અને બીજો એક સંદેશો લઈને પાછા આવ્યા. બેનહદાદ કહે છે: “સમરૂનનો નાશ કરવા હું એવી મોટી સંખ્યામાં સેના લઈ આવીશ કે લૂંટમાં પ્રત્યેક સૈનિકના ફાળે મૂઠીભર ધૂળ પણ ન આવે! હું એમ ન કરું તો દેવો મારું મોત નિપજાવો.” આહાબ રાજાએ ઉત્તર આપ્યો, “બેનહદાદ રાજાને કહેજો કે સાચો યોદ્ધો યુદ્ધ પછી બડાશ મારે છે, તે પહેલાં નહિ.” બેનહદાદ અને તેના મિત્ર રાજાઓ તંબૂમાં શરાબ પી રહ્યા હતા ત્યારે તેને આહાબનો ઉત્તર મળ્યો. તેણે તેના સૈનિકોને નગર પર હુમલો કરવા સાબદા થવા હુકમ કર્યો, એટલે તેમણે નગર સામે મોરચો ગોઠવ્યો. દરમ્યાનમાં, આહાબ રાજા પાસે ઈશ્વરના એક સંદેશવાહકે જઈને તેને કહ્યું, “પ્રભુ કહે છે, ‘તું એ મોટા સૈન્યથી ગભરાઈશ નહિ. હું તને આજે તેના પર વિજય અપાવીશ, અને તને ખબર પડશે કે હું પ્રભુ છું.” આહાબે પૂછયું, “કોની મારફતે વિજય પમાડશે?” સંદેશવાહકે જવાબ આપ્યો, “પ્રભુ કહે છે કે પ્રાંતના સૂબાઓના જુવાન સૈનિકો મારફતે વિજય પમાડીશ.” રાજાએ પૂછયું, “આક્રમકદળની આગેવાની કોણે લેવાની છે?” સંદેશવાહકે જવાબ આપ્યો, “તમારે.” તેથી રાજાએ પ્રાંતના સેનાપતિઓ હસ્તકના જુવાન સૈનિકોને બોલાવ્યા. તેઓ બધા મળીને બસો બત્રીસ હતા. પછી તેણે ઇઝરાયલી સૈન્યને બોલાવ્યું. તેમાં એકંદરે સાત હજાર માણસો હતા. બેનહદાદ અને તેના બત્રીસ મિત્ર રાજાઓ તંબૂમાં પીને ચકચૂર થયા હતા. ત્યારે બપોરે હુમલોે શરૂ કર્યો. જુવાન સૈનિકોએ પ્રથમ કૂચ કરી. બેનહદાદે મોકલેલા બાતમીદારોએ તેને જણાવ્યું કે સમરૂનમાંથી સૈનિકોની એક ટુકડી બહાર આવી રહી છે. તેણે હુકમ કર્યો, “તેઓ લડવા આવતા હોય કે સંધિ કરવા પણ તેમને જીવતા જ પકડી લો.” જુવાન સૈનિકો હુમલામાં પહેલી હરોળમાં હતા અને ઇઝરાયલનું સૈન્ય તેમની પાછળ હતું. પ્રત્યેક સૈનિકે તેની સાથે લડનારને મારી નાખ્યો. અરામના માણસો ભાગ્યા, અને ઇઝરાયલીઓએ તેમનો જબરો પીછો કર્યો, પણ બેનહદાદ ઘોડા ઉપર બેસીને કેટલાક ઘોડેસ્વારોની સાથે નાસી છૂટયો. આહાબ રાજાએ રણક્ષેત્ર પર કબજો મેળવી ઘોડાઓ અને રથો લઈ લીધા અને અરામીઓનો કચ્ચરઘાણ વાળી દીધો. પછી સંદેશવાહકે આહાબ રાજાને કહ્યું, “જાઓ, હવે જઈને તમારા લશ્કરી દળોને સંગીન બનાવો અને ચોક્સાઈપૂર્વક વ્યૂહ ગોઠવો, કારણ, અરામનો રાજા આવતી વસંતસંપાતે ફરીથી હુમલો કરશે.” અરામના રાજા બેનહદાદના અમલદારોએ તેને કહ્યું, “ઇઝરાયલનો દેવ તો પર્વતોનો દેવ છે, અને એટલે ઇઝરાયલીઓ આપણા પર પ્રબળ થયા. પણ જો આપણે તેમની સાથે મેદાનમાં લડીએ તો આપણે તેમને જરૂર હરાવી શકીશું. હવે બત્રીસ રાજાઓને તેમનાં સૈન્ય પરથી હટાવી દઈ તે સૈન્ય ક્ષેત્રાધિપતિઓના હસ્તક મૂકો. પછી તેમને તરછોડીને ભાગી ગયું હતું એટલું જ મોટું સૈન્ય, એટલી જ સંખ્યામાં ઘોડા અને રથો સહિત ઊભું કરો. આપણે ઇઝરાયલીઓ સાથે મેદાનમાં લડાઈ ખેલીશું અને આ વખતે આપણે તેમને હરાવીશું.” બેનહદાદ રાજાએ એ વાત મંજૂર રાખી અને તેમની સલાહ પ્રમાણે કર્યું. પછીની વસંતસંપાતે તેણે પોતાના માણસોને બોલાવ્યા અને ઇઝરાયલીઓ પર હુમલો કરવા એફેક નગર તરફ કૂચ કરી. ઇઝરાયલીઓ પણ એકઠા થયા અને શસજ્જ બન્યા; તેઓ પણ કૂચ કરી નીકળ્યા અને અરામીઓ સામે બે જૂથમાં છાવણીઓ નાખી. સમગ્ર સીમાડાને છાઈને પડેલા અરામીઓ આગળ ઇઝરાયલીઓ બકરાંનાં બે નાનાં ટોળાં જેવા લાગતા હતા. એક ઈશ્વરભક્તે આહાબ રાજા પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘હું મેદાનોનો નહિ, પણ પર્વતોનો દેવ છું.’ એવું અરામીઓ કહે છે; તેથી તેમના મોટા સૈન્ય પર હું તમને વિજય અપાવીશ, અને તું તથા તારા લોક જાણશો કે હું પ્રભુ છું.” સાત દિવસ સુધી અરામીઓ અને ઇઝરાયલીઓ એકબીજાની સામે પોતપોતાના પડાવમાં રહ્યા. સાતમે દિવસે તેમણે લડાઈ શરૂ કરી અને ઇઝરાયલીઓએ એક લાખ અરામીઓને મારી નાખ્યા. જેઓ બચી ગયા તેઓ એફેક નગરમાં નાસી ગયા તો ત્યાં તેમના સત્તાવીશ હજાર માણસો પર નગરનો કોટ તૂટી પડયો. બેનહદાદ પણ નગરમાં નાસી છૂટયો અને તેણે એક ઘરની પાછલી ઓરડીમાં આશ્રય લીધો. તેના અમલદારોએ તેને કહ્યું, “અમે સાંભળ્યું છે કે ઇઝરાયલી રાજાઓ દયાળુ હોય છે. તેથી અમને તમે પરવાનગી આપો કે અમે અમારી કમરે ટાટ વીંટાળી અને ગળે દોરડાં વીંટાળી ઇઝરાયલના રાજા પાસે જઈએ; કદાચ તે તમને જીવતા રહેવા દે.” તેથી તેઓ પોતાની કમરે ટાટ અને ગળે દોરડાં વીંટાળી આહાબ રાજા પાસે ગયા અને તેને કહ્યું, “અમારા સેવક બેનહદાદ પોતાના જીવ માટે તમારી દાદ માગે છે.” આહાબે જવાબ આપ્યો, “હજુ તે જીવે છે? ભલે, તે તો મારા ભાઈ જેવો છે.” બેનહદાદના અમલદારો સારા સંકેતની રાહ જ જોતા હતા. તેમણે આહાબને ‘ભાઈ’ કહેતા સાંભળ્યો કે તરત જ તે શબ્દ પકડી લીધો અને કહ્યું, “તમે જ કહો છો કે તે તમારો ભાઈ છે!” આહાબે હુકમ કર્યો, “તેને મારી પાસે લાવો.” બેનહદાદ આવ્યો, એટલે આહાબે તેને પોતાના રથમાં સાથે બેસવા આમંત્રણ આપ્યું. બેનહદાદે તેને કહ્યું, “તમારા પિતા પાસેથી મારા પિતાએ જે નગરો જીતી લીધાં હતાં તે હું તમને પાછાં આપીશ અને મારા પિતાએ જેમ સમરૂનને વ્યાપાર કેન્દ્ર બનાવી દીધું હતું તેમ તમે દમાસ્ક્સનું પણ કરો.” આહાબે જવાબ આપ્યો, “તો તે શરતે હું તમને મુક્ત કરીશ.” તેણે તેની સાથે કરાર કરી તેને જવા દીધો. પ્રભુની આજ્ઞાથી સંદેશવાહકોના જૂથના એક સભ્યે તેના સાથી સંદેશવાહકને તેને મારવા આજ્ઞા કરી, પણ તેણે ના પાડી. તેથી તેણે તેને કહ્યું, “તેં પ્રભુની આજ્ઞા માની નથી તેથી તું મારી પાસેથી જશે કે સિંહ તને ફાડી ખાશે.” જેવો તે ગયો કે એક સિંહે આવી તેને મારી નાખ્યો. પછી પેલા જ સંદેશવાહકે બીજા એક માણસ પાસે જઈને કહ્યું, “મને માર!” એ માણસે તેને ફટકો મારી ઘાયલ કર્યો. સંદેશવાહકે મોં પર પાટો બાંધ્યો અને છુપાવેશે રસ્તે જઈ ઊભો રહ્યો અને ઇઝરાયલના રાજાના પસાર થવાની રાહ જોવા લાગ્યો. રાજા તેની પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સંદેશવાહકે તેને બૂમ પાડીને કહ્યું, “નામદાર, હું લડાઈમાં હતો ત્યારે એક સૈનિક કેદ પકડાયેલ શત્રુને લઈને મારી પાસે આવ્યો અને મને કહ્યું, ‘આ માણસની ચોકી કર; જો તે નાસી છૂટશે તો તેને બદલે તારે તારા જીવની અથવા ચાંદીના ત્રણ હજાર સિક્કાની કિંમત ચૂકવવી પડશે.’ પણ હું બીજા કામમાં રોક્યેલો હતો, અને પેલો માણસ નાસી છૂટયો.” રાજાએ જવાબ આપ્યો, “તેં પોતે જ તારી સજા જાહેર કરી છે અને તારે દંડ ચૂકવવો પડશે.” સંદેશવાહકે પોતાના મોં પરથી વ કાઢી નાખ્યું એટલે રાજાએ તરત જ તેને ઓળખ્યો કે તે એક સંદેશવાહક છે. પછી સંદેશવાહકે રાજાને કહ્યું, “પ્રભુ તરફથી આ સંદેશ છે: ‘મેં જેને મૃત્યુદંડને પાત્ર ઠરાવ્યો તેને તેં જવા દીધો છે, તેથી તારે તારા જીવને સાટે તેની કિંમત ચૂકવવી પડશે. તેં તેના સૈન્યને જતું રહેવા દીધું છે તેથી તારું સૈન્ય નાશ પામશે.” તેથી રાજા હતાશ અને ચિંતાતુર થઈ સમરૂન પાછો ફર્યો. યિઝ્રએલમાં આહાબ રાજાના મહેલ પાસે નાબાથ નામે એક માણસની દ્રાક્ષવાડી હતી. એક દિવસે આહાબે તેને કહ્યું, “ મને તારી દ્રાક્ષવાડી આપ; તે મારા મહેલની પાસે છે અને મારે એ જમીન શાકભાજીની વાડી બનાવવા જોઈએ છે. હું તને તેના કરતાં વધુ સારી દ્રાક્ષવાડી આપીશ, અથવા તારી ઇચ્છા હોય તો હું તને સારી એવી કિંમત ચૂકવી આપીશ. નાબોથે જવાબ આપ્યો, “પ્રભુ સમક્ષ હું એવું અઘોર કામ શી રીતે કરું? એ વાડી તો મારા પૂર્વજો પાસેથી મને વારસામાં મળેલી છે!” યિઝ્રએલી નાબોથે આહાબને એવું કહ્યું તેથી તે નિરાશ અને ક્રોધિત થઈ ઘેર ગયો. દીવાલ તરફ મોં રાખી તે પોતાના પલંગ પર પડયો અને ખોરાક લેવાની પણ ના પાડી. તેની પત્ની ઇઝબેલે તેની પાસે જઈને તેને પૂછયું, “તમે કેમ નિરાશ થઈ ગયા છો? કેમ ખાતા નથી?” તેણે જવાબ આપ્યો, “નાબાથે મને જે કહ્યું તેને લીધે; મેં તેને તેની દ્રાક્ષવાડી વેચાતી આપવા કહ્યું અને તેની ઇચ્છા હોય તો તેને બદલે બીજી દ્રાક્ષવાડી આપવા જણાવ્યું. પણ તેણે કહ્યું કે તે તે દ્રાક્ષાવાડી વેચી શકે તેમ નથી.” ઇઝબેલે કહ્યું, એમ? તો તમે રાજા છો કે નહિ? પથારીમાંથી ઊભા થાઓ અને ખુશ થઈ ખાઓ. હું તમને નાબોથની દ્રાક્ષવાડી અપાવીશ!” પછી તેણે પત્ર લખી આહાબના સહી-સિક્કા કરાવી તેમને અધિકારીઓ અને યિઝ્રએલના અગ્રણી નાગરિકો પર મોકલી આપ્યા. પત્રોમાં આવું કહેલું હતું: “ઉપવાસનો દિવસ ઠરાવો, લોકોને એકઠા કરો અને નાબોથને સન્માનનીય સ્થાને બેસાડો. થોડાક હરામખોરોને તેની રૂબરૂમાં જ તેણે ઈશ્વર અને રાજાને શાપ દીધો હોવાનો આક્ષેપ મૂકવા લઈ આવો. પછી નાબોથને શહેર બહાર લઈ જઈ પથ્થરો મારી મારી નાખો.” ઇઝબેલની આજ્ઞા પ્રમાણે અધિકારીઓ અને નગરના અગ્રણી નાગરિકોએ કર્યું. તેમણે ઉપવાસનો દિવસ જાહેર કર્યો, લોકોને એકઠા કર્યા અને નાબોથને સન્માનનીય સ્થાને બેસાડયો. બે હરામખોરોએ તેના પર ઈશ્વર અને રાજાને શાપ દીધો હોવાનો આક્ષેપ મૂક્યો અને તેથી તેમણે તેને નગર બહાર લઈ જઈ પથ્થરો મારીને મારી નાખ્યો. પછી ઈઝબેલને સંદેશો મોકલાવ્યો: “નાબોથને પથ્થરો મારીને મારી નાખ્યો છે.” નાબોથના મૃત્યુનો સંદેશો મળતાંની સાથે જ ઇઝબેલે આહાબને કહ્યું, “નાબોથ હવે જીવતો નથી; તે માર્યો ગયો છે. તો હવે જાઓ, તમને જે દ્રાક્ષવાડી વેચવાની તે ના પાડતો હતો તેનો કબજો લઈ લો.” આહાબ યિઝ્રએલી નાબોથની દ્રાક્ષવાડીનો કબજો લેવા તરત ઉપડયો. પછી તિશ્બેના સંદેશવાહક એલિયાને પ્રભુએ કહ્યું, “સમરૂનના રાજા આહાબ પાસે જા. આહાબ તને નાબોથની દ્રાક્ષવાડીમાં એ વાડીનો કબજો લેતો મળશે. તેને કહેજે કે હું પ્રભુ તેને કહું છું, ‘માણસને મારી નાખીને તું તેની મિલક્ત પણ પચાવી પાડે છે?’ તેને કહેજે હું તેને આમ કહું છું: ‘જે જગાએ કૂતરાંએ નાબોથનું રક્ત ચાટયું છે તે જ જગાએ તેઓ તારું રક્ત પણ ચાટશે!” એલિયાને જોઈને આહાબે કહ્યું, “હે મારા શત્રુ, શું તેં મને પકડી પાડયો છે?” એલિયાએ જવાબ આપ્યો, “હા, મેં તમને પકડી પાડ્યા છે. પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ છે તે જ કરવા તમે તમારી જાતને વેચી દીધી છે. તેથી પ્રભુ તમને કહે છે, ‘હું તારા પર આપત્તિ લાવીશ. હું તારું નિકંદન કાઢી નાખીશ અને તારા કુટુંબના નાના કે મોટા પ્રત્યેક પુરુષનો મારી આગળથી નાશ કરીશ. તારું કુટુંબ નબાટના પુત્ર યરોબામના કુટુંબ જેવું અને અહિયાના પુત્ર બાશા રાજાના કુટુંબ જેવું બની જશે; કારણ, તેં ઇઝરાયલને પાપમાં પાડી મારો કોપ સળગાવ્યો છે.’ વળી, ઇઝબેલ વિષે પ્રભુ કહે છે કે યિઝ્રએલ નગરમાં જ કૂતરાં તેનું શરીર ફાડી ખાશે. તારો જે સંબંધી નગરમાં મરી જાય તેને કૂતરાં ફાડી ખાશે અને જે વગડામાં મરી જાય તેને ગીધો ચૂંથી ખાશે.” (ઇઝબેલની ઉશ્કેરણીથી પોતાની જાતને સંપૂર્ણપણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણ કરવા સોંપી હોય એવું આહાબ સિવાય બીજું કોઈ નહોતું. ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતાં મેળવતાં આગળ વધી રહ્યા હતા ત્યારે પ્રભુએ તેમની આગળથી હાંકી કાઢેલી અમોરી પ્રજાની જેમ તેણે મૂર્તિપૂજા કરીને અત્યંત શરમજનક પાપો આચર્યાં છે.) એલિયા બોલી રહ્યો એટલે આહાબે પોતાનાં વ ફાડયાં, અને તેમને બદલી નાખીને અળસી રેસાનાં શ્વેત વ પહેર્યાં. તેણે ખોરાક લેવાની ના પાડી અને શણિયામાં સૂઈ રહ્યો. તે ઉદાસ થઈને શોક કરવા લાગ્યો. પ્રભુએ સંદેશવાહક એલિયાને કહ્યું, “આહાબ મારી આગળ કેવો દીન બની ગયો છે તે તેં નિહાળ્યું? તે દીન બની ગયો હોઈ હું તેની હયાતીમાં આપત્તિ નહિ લાવું; પણ તેના પુત્રની હયાતીમાં આહાબના કુટુંબ પર આપત્તિ લાવીશ.” પછીનાં ત્રણ વર્ષ ઇઝરાયલ અને અરામ વચ્ચે શાંતિ રહી, પણ ત્રીજે વર્ષે યહૂદિયાનો રાજા યહોશાફાટ ઈઝરાયલના રાજા આહાબને મળવા ગયો. આહાબે પોતાના અધિકારીઓને પૂછયું, “અરામના રાજા પાસેથી ગિલ્યાદમાંનું રામોથ જીતી લેવા આપણે કંઈ જ કર્યું નથી? એ તો આપણું છે!” એટલે આહાબે યહોશાફાટને પૂછયું, “રામોથ પર ચડાઈ કરવા તમે મારી સાથે આવશો?” યહોશાફાટે જવાબ આપ્યો, “તમે જતા હોય તો હું તૈયાર છું, અને એ જ રીતે મારા સૈનિકો અને અશ્વદળ પણ તૈયાર છે. પણ પ્રથમ આપણે પ્રભુની સલાહ પૂછવી જોઈએ.” તેથી આહાબે લગભગ ચારસો સંદેશવાહકોને બોલાવ્યા અને તેમને પૂછયું, “હું ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરું કે નહિ?” તેમણે જવાબ આપ્યો, “ચડાઈ કરો, પ્રભુ તમને વિજય પમાડશે.” પણ યહોશાફાટે પૂછયું, “જેની મારફતે આપણે પ્રભુને પૂછી શકીએ એવો બીજો કોઈ સંદેશવાહક નથી?” આહાબે જવાબ આપ્યો, “બીજો એક સંદેશવાહક યિમ્લાનો પુત્ર મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું. કારણ, તે મારા સંબંધમાં સારું ભવિષ્ય ભાખતો જ નથી. તેનું ભાખેલું ભવિષ્ય હમેશાં માઠું જ હોય છે.” યહોશાફાટે કહ્યું, “રાજા તરીકે તમારે એવું ન બોલવું જોઈએ.” પછી આહાબે દરબારના એક અધિકારીને મિખાયાને તાત્કાલિક બોલાવી લાવવા આદેશ આપ્યો. બન્‍ને રાજાઓ તેમના રાજવી પોષાકમાં સજ્જ થઈ સમરૂનના દરવાજાની બહાર ખળાના ખુલ્લા મેદાન પર તેમનાં રાજ્યાસન પર બેઠા હતા, અને તેમની આગળ સર્વ સંદેશવાહકો ભવિષ્ય ભાખતા હતા. તેઓમાંથી કનાનાના પુત્ર સિંદકિયાએ લોઢાના શિંગ બનાવી આહાબને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘આના વડે તમે અરામીઓ સાથે લડીને તેમને ખતમ કરી નાખશો.” બધા સંદેશવાહકોએ પણ એમ જ કહ્યું, “રામોથ પર ચડાઈ કરો, અને તમે જીતશો. પ્રભુ તમને વિજય આપશે.” દરમ્યાનમાં મિખાયાને બોલાવવા ગયેલા અધિકારીએ તેને કહ્યું, “બીજા બધા સંદેશવાહકોએ રાજા માટે સફળતાનું ભવિષ્ય કહ્યું છે; તમે પણ તેવો જ સંદેશ આપો તો સારું.” પણ મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા પ્રભુના સોગંદ ખાઉં છું કે તે મને જે કહેજે તે જ હું કહીશ.” તે આહાબ રાજા આગળ હાજર થયો એટલે રાજાએ તેને પૂછયું, “મિખાયા, રાજા યહોશાફાટ અને હું ગિલ્યાદમાંના રામોથ પર ચડાઈ કરીએ કે નહિ?” મિખાયાએ જવાબ આપ્યો, “ભલે, ચડાઈ કરો, તમે જીતશો. પ્રભુ તમને વિજય આપશે.” પણ આહાબે ઉત્તર આપ્યો, “મારી સાથે યાહવેના નામે બોલતો હોય ત્યારે તારે સાચું જ કહેવું. એ મારે તને કેટલીવાર સમ દઈને કહેવાનું હોય?” મિખાયાએ જવાબ આપ્યો, “હું ઇઝરાયલને ઘેટાંપાળક વિનાના ઘેટાંની જેમ પર્વતો પર વિખેરાઈ ગયેલા જોઉં છું અને પ્રભુએ કહ્યું, ‘આ માણસોનો કોઈ આગેવાન નથી, તેઓ શાંતિપૂર્વક પોતાને ઘેર જાય.” આહાબે યહોશાફાટને કહ્યું, ‘મેં તમને નહોતું કહ્યું કે તે મારે માટે સારું ભવિષ્ય કહેતો જ નથી? એનું ભવિષ્ય હમેશાં માઠું જ હોય છે!” વળી, મિખાયાએ કહ્યું, “હવે પ્રભુનો સંદેશ સાંભળો. મેં પ્રભુને આકાશમાં તેમના રાજ્યાસન પર બિરાજેલા જોયા; તેમની બન્‍ને તરફ તેમના સર્વ દૂતો ઊભા હતા. પ્રભુએ પૂછયું, ‘આહાબને કોણ છેતરશે કે તે રામોથમાં જઈને માર્યો જાય?’ કેટલાક દૂતે એક વાત કહી તો બીજા કેટલાકે બીજી વાત કરી. છેવટે એક આત્મા પ્રભુની પાસે આગળ આવ્યો અને બોલ્યો, ‘હું તેને છેતરીશ.’ પ્રભુએ પૂછયું, ‘કેવી રીતે?’ આત્માએ જવાબ આપ્યો, ‘હું જઈને આહાબના બધા સંદેશવાહકોને જૂઠું બોલતા કરી દઈશ.’ પ્રભુએ કહ્યું, ‘જા, તેને જઈને છેતર. તું સફળ થઈશ.” અંતમાં મિખાયાએ કહ્યું, “તેથી આમ બન્યું છે. તમારા બધા સંદેશવાહકો તમને જૂઠું કહે તેવું પ્રભુએ કર્યું છે. પ્રભુએ તો તમારા પર આપત્તિ લાવવાનો નિર્ધાર કર્યો છે.” પછી સંદેશવાહક સિદકિયાએ મિખાયા પાસે જઈને તેના મોં પર લપડાક મારીને પૂછયું, “પ્રભુના આત્માએ મારી પાસેથી નીકળીને તારી સાથે ક્યારે વાત કરી?” મિખાયાએ જવાબ આપ્યો, “તારે ભીતરની ઓરડીમાં સંતાઈ જવું પડે ત્યારે તને તેની ખબર પડશે.” પછી આહાબ રાજાએ તેના એક અધિકારીને હુકમ કર્યો, “મિખાયાને પકડીને તેને નગરના સૂબા આમ્મોન અને રાજકુંવર યોઆશ પાસે લઈ જાઓ. તેમને કહેજો કે તેઓ તેને કેદમાં નાખે અને હું સહીસલામત પાછો ફરું ત્યાં સુધી તેને માત્ર રોટલી અને પાણી પર રાખજો.” મિખાયા બોલી ઊઠયો, “તમે સહીસલામત પાછા ફરો તો જાણજો કે પ્રભુ મારા દ્વારા બોલ્યા નથી.” વળી, તેણે કહ્યું, “સૌ લોકો, મારું કહેવું સાંભળો!” પછી ઇઝરાયલનો રાજા આહાબ અને યહૂદિયાનો રાજા યહોશાફાટ ગિલ્યાદમાંના રામોથ નગર પર ચડાઈ કરવા ગયા. આહાબે યહોશાફાટને કહ્યું, “આપણે યુદ્ધમાં જઈએ ત્યારે હું તો વેશપલટો કરીને છુપાવેશે રહીશ, પણ તમે તમારો રાજપોશાક પહેરજો.” એમ ઇઝરાયલનો રાજા લડાઈમાં છુપાવેશે ગયો. અરામના રાજાએ પોતાના બત્રીસ રથાધિપતિઓને ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈના પર હુમલો નહિ કરવા જણાવ્યું હતું. તેથી તેમણે યહોશાફાટ રાજાને જોયો ત્યારે તેઓ બધાએ માની લીધું કે એ ઇઝરાયલનો રાજા છે, અને તેઓ સૌ તેમને ભીંસમાં લેવાને તેમના તરફ ત્રાટક્યા. પણ તેણે બૂમ પાડી. એટલે તેમને ખબર પડી કે તે ઇઝરાયલનો રાજા નથી, અને તેથી તેમણે તેનો પીછો કરવો છોડી દીધો. પણ એક અરામી સૈનિકે અનાયાસે એક બાણ છોડ્યું જે આહાબ રાજાને તેના બખ્તરના સાંધામાં થઈને વાગ્યું. તેણે સારથિને હાંક મારી, “હું ઘવાયો છું! રથ પાછો ફેરવીને લડાઈ બહાર નીકળી જા!” યુદ્ધ ખેલાતું હતું ત્યાં સુધી આહાબ રાજાને અરામીઓ સામે મુખ રાખી રથમાં બેસાડેલો રાખ્યો તેના ઘામાંથી રક્ત વહી ને રથના તળિયાને છાઈ દીધું, અને સંયાએ તે મૃત્યુ પામ્યો. સૂર્યાસ્ત થતાં ઇઝરાયલી સૈન્યમાં હુકમ કરાયો: “પ્રત્યેક માણસ પોતાના પ્રદેશમાં અને નગરમાં પાછો જાય!” એમ આહાબ રાજા મરણ પામ્યો. તેને સમરૂનમાં લઈ જઈને દાટવામાં આવ્યો. સમરૂનના જળાશયમાં તેનો રથ ધોવામાં આવ્યો. પ્રભુના સંદેશ મુજબ ત્યાં કૂતરાંએ તેનું રક્ત ચાટયું અને વેશ્યાઓએ તેમાં સ્નાન કર્યું. આહાબનાં બાકીનાં કાર્યો તેણે પોતાનો મહેલ હાથીદાંતથી સજાવ્યો તે તથા તેણે બાંધેલાં નગરો એ બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલું છે. આહાબ મૃત્યુ પામ્યો અને તેના પછી તેનો પુત્ર અહાઝયા રાજા બન્યો. ઇઝરાયલના રાજા આહાબના અમલના ચોથા વર્ષમાં આસાનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો; તે વખતે તે પાંત્રીસ વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં પચીસ વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ અઝુબા હતું; તે શિલ્હીની પુત્રી હતી. પોતાના પિતા આસાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિમાં જે યોગ્ય હતું તે કર્યું; પણ ભક્તિનાં વિધર્મી ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતો અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલું રાખ્યું હતું. યહોશાફાટે ઇઝરાયલના રાજા સાથે સુલેહશાંતિ સ્થાપી. યહોશાફાટનાં બાકીનાં કાર્યો, તેનું શૌર્ય, તેની લડાઈઓ એ બધું યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં આપેલું છે. વિધર્મી પૂજાસ્થાનોમાં દેવદાસો અને દેવદાસીઓ તરીકે કામ કરતાં સ્ત્રી-પુરુષો,જેઓ તેના પિતા આસાના વખતથી બાકી રહી ગયાં હતાં તે બધાંને તેણે દેશમાંથી હાંકી કાઢયાં. અદોમ દેશનો કોઈ રાજા નહોતો; યહૂદિયાના રાજાએ નીમેલો સૂબો તેના પર શાસન ચલાવતો હતો. યહોશાફાટ રાજાએ સોનું મેળવવા ઓફિરના દેશમાં જળમાર્ગે જવા નૌકા કાફલો બનાવ્યો; પણ તે એસ્યોન ગેબેર આગળ ભાંગી પડયો અને તેથી તે ત્યાં જઈ શક્યો નહિ. પછી ઇઝરાયલના રાજા અહાઝયાએ પોતાના માણસોને યહોશાફાટના માણસો સાથે દરિયાઈ મુસાફરી ખેડવા મોકલવા રજૂઆત કરી, પણ યહોશાફાટે એ રજૂઆત માન્ય રાખી નહિ. યહોશાફાટ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં રાજવી કબરોમાં દાટવામાં આવ્યો, અને તેના પછી તેનો પુત્ર યહોરામ રાજા બન્યો. યહૂદિયાના રાજા યહોશાફાટના અમલના સત્તરમાં વર્ષમાં આહાબનો પુત્ર અહાઝયા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં બે વર્ષ રાજ કર્યું. ઇઝરાયલને પાપમાં પાડનાર તેના પિતા આહાબ, માતા ઇઝબેલ અને નબાટના પુત્ર યરોબામનો નમૂનો અનુસરી તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. તેણે બઆલની સેવાભક્તિ કરી અને તેના પિતાની જેમ તેણે પણ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને ક્રોધ ચઢાવ્યો. ઇઝરાયલના રાજા આહાબના મરણ પછી મોઆબ દેશે ઇઝરાયલ સામે બળવો પોકાર્યો. ઇઝરાયલનો રાજા અહાઝયા સમરૂનમાંના તેના મહેલના ઉપલા માળના ઝરુખામાંથી ગબડી પડયો અને તે ગંભીર રીતે ઘવાયો. તેથી પોતે સાજો થશે કે નહિ તે જાણવા માટે તેણે કેટલાક સંદેશકોને પલિસ્તી નગર એક્રોનના દેવ બઆલ- ઝબૂલને પૂછવા મોકલ્યા. પણ પ્રભુના દૂતે તિશ્બેના સંદેશવાહક એલિયાને પેલા સંદેશકોને મળીને આમ કહેવા મોકલ્યો. “તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂલને પૂછવા કેમ જાઓ છો? શું એટલા માટે કે ઇઝરાયલમાં ઈશ્વર નથી? રાજાને જઈને કહો કે પ્રભુ આમ કહે છે: ‘તને થયેલી ઈજાઓમાંથી તું સાજો થવાનો નથી; તું નક્કી મૃત્યુ પામશે.” એલિયાએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું; અને સંદેશકો રાજા પાસે પાછા ગયા. તેણે પૂછયું, “તમે કેમ પાછા આવ્યા?” તેમણે જવાબ આપ્યો, “અમને એક માણસનો ભેટો થઈ ગયો. તેણે અમને તમારી પાસે પાછા મોકલતાં કહ્યું કે પ્રભુ તમને આમ કહે છે: ‘એક્રોનના દેવ બઆલ-ઝબૂલને પૂછવા તેં સંદેશકો કેમ મોકલ્યા છે? શું એટલા માટે કે ઇઝરાયલમાં ઈશ્વર નથી? તને થયેલી ઈજાઓમાંથી તું સાજો થવાનો નથી; તું નક્કી મૃત્યુ પામશે.” રાજાએ પૂછયું, “તમને મળેલા એ માણસનો દેખાવ કેવો હતો?” તેમણે જવાબ આપ્યો, “તેણે પ્રાણીના ચામડાંનો ઝભ્ભો પહેરેલો હતો અને તે પર ચામડાનો પટ્ટો બાંધેલો હતો.” રાજા બોલી ઊઠયો, “એ તો તિશ્બેનો એલિયા છે!” પછી તેણે એલિયાને પકડી લાવવા એક અધિકારીને તેના પચાસ માણસો લઈને મોકલ્યો. અધિકારીને એલિયા એક ટેકરીની ટોચ પર બેઠેલો મળી આવ્યો એટલે તેણે કહ્યું, “ઈશ્વરભક્ત, તમે નીચે ઊતરી આવો એવો રાજાનો હુકમ છે.” એલિયાએ જવાબ આપ્યો, “હું ઈશ્વરભક્ત હોઉં તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તારો અને તારા પચાસ માણસોનો બાળીને નાશ કરો!” તરત જ આકાશમાંથી અગ્નિએ પડીને પેલા અધિકારી અને તેના પચાસ માણસોને બાળીને મારી નાખ્યા. રાજાએ બીજા એક અધિકારીને પચાસ માણસો લઈને મોકલ્યો. તેણે એલિયા પાસે ઉપર જઈને કહ્યું, “ઈશ્વરભક્ત, તમે તરત જ નીચે ઊતરી આવો એવો રાજાનો હુકમ છે.” એલિયાએ જવાબ આપ્યો, “હું ઈશ્વરભક્ત હોઉં તો આકાશમાંથી અગ્નિ ઊતરીને તારો અને તારા પચાસ માણસોનો બાળીને નાશ કરો!” તરત જ આકાશમાંથી અગ્નિએ પડીને પેલા અધિકારી અને તેના પચાસ માણસોને બાળીને મારી નાખ્યા. રાજાએ ફરીથી બીજા એક અધિકારીને પચાસ માણસો લઈને મોકલ્યો. તે ટેકરી પર ગયો અને એલિયા આગળ ધૂંટણિયે પડીને તેને વિનવણી કરી, “ઈશ્વરભક્ત, મારા પર અને મારા પચાસ માણસો પર દયા કરો અને અમને જીવતદાન આપો. બીજા બે અધિકારીઓ અને તેમના માણસોને આકાશમાંથી અગ્નિએ પડીને મારી નાખ્યા છે; પણ મારા પર કૃપા કરો.” પ્રભુના દૂતે એલિયાને કહ્યું, “તેની સાથે જા; ગભરાઈશ નહિ.” તેથી એલિયા તે અધિકારી સાથે રાજા પાસે ગયો, અને તેને કહ્યું, “પ્રભુ આમ કહે છે: જેમનો સંપર્ક સાધીને પૂછી શકાય એ ઈશ્વર ઇઝરાયલમાં નથી કે તેં એક્રોનના દેવ બઆલને પૂછવા સંદેશકો મોકલ્યા? તો હવે તું સાજો થવાનો નથી; પણ નક્કી મૃત્યુ પામશે.” પ્રભુએ એલિયા મારફતે સંદેશ પાઠવ્યો હતો તેમ અહાઝયા મૃત્યુ પામ્યો. અહાઝયાને પુત્ર નહોતો, તેથી તેના પછી તેનો ભાઇ યોરામ, યહોશાફાટના પુત્ર અને યહૂદિયાના રાજા યહોરામના અમલના બીજા વર્ષમાં રાજા બન્યો. અહાઝયાનાં બાકીનાં કૃત્યો ઇઝરાયલના રાજાઓના કાળવૃત્તાંતમાં નોંધેલાં છે. એલિયાને વંટોળિયા મારફત આકાશમાં ઊંચકી લેવાનો પ્રભુનો સમય આવી પહોંચ્યો. એલિયા અને એલિશા ગિલ્ગાલથી ઉપડયા. અને રસ્તે જતાં એલિયાએ એલિશાને કહ્યું, “હવે અહીં રોકાઈ જા; પ્રભુએ મને બેથેલ જવા કહ્યું છે.” પણ એલિશાએ ઉત્તર આપ્યો, “પ્રભુના અને તમારા જીવના સમ, હું તમને છોડીને જવાનો નથી.” એમ તેઓ બેથેલ ગયા. ત્યાં બેથેલમાં રહેતા કેટલાક સંદેશવાહકોના જૂથે એલિશા પાસે જઈને તેને પૂછયું, “પ્રભુ આજે તમારા ગુરુને તમારી પાસેથી લઈ લેવાના છે એની તમને ખબર છે ખરી?” એલિશાએ જવાબ આપ્યો, “હા, મને ખબર છે. પણ હવે કશું બોલશો નહિ.” પછી એલિયાએ એલિશાને કહ્યું, “હવે અહીં રોકાઈ જા; પ્રભુએ મને યરીખો જવા કહ્યું છે.” પણ એલિશાએ ઉત્તર આપ્યો, “પ્રભુના અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે હું તમને છોડીને જવાનો નથી. ” તેથી તેઓ યરીખો ગયા. ત્યાં રહેતા કેટલાક સંદેશવાહકોના જૂથે એલિશા પાસે જઈને તેને પૂછયું, “પ્રભુ આજે તમારા ગુરુને તમારી પાસેથી લઈ લેવાના છે એની તમને ખબર છે ખરી?” એલિશાએ જવાબ આપ્યો, “હા, મને ખબર છે. પણ હવે કશું બોલશો નહિ.” પછી એલિયાએ એલિશાને કહ્યું, “હવે અહીં રોકાઈ જા; પ્રભુએ મને યર્દન નદીએ જવા કહ્યું છે.” પણ એલિશાએ કહ્યું, “પ્રભુના અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે હું તમને છોડીને જવાનો નથી.” એમ તેઓ આગળ ચાલ્યા. પચાસ સંદેશવાહકો પણ તેમની પાછળ પાછળ યર્દન ગયા. એલિયા અને એલિશા નદીએ થોભ્યા અને પચાસ સંદેશવાહકો થોડે દૂર ઊભા રહ્યા. પછી એલિયાએ પોતાનો ઝભ્ભો ઉતાર્યો અને તેને વીંટાળીને પાણી પર અફાળ્યો; પાણીના બે ભાગ થઈ ગયા અને તે તથા એલિશા નદીમાં થઇને કોરે પગે સામે તટે પહોંચી ગયા. ત્યાં એલિયાએ એલિશાને કહ્યું, “હું તારી પાસેથી ઊંચકાઈ જાઉં તે પહેલાં મારી પાસે તારી શી માગણી છે?” એલિશાએ જવાબ આપ્યો, “મને તમારો પ્રથમજનિત પુત્ર ગણીને તમારા આત્માના પરાક્રમનો બમણો હિસ્સો આપો.” એલિયાએ કહ્યું, “આ માગણી અત્યંત અઘરી છે. પણ જો તું મને ઊંચકાઈ જતો જોશે તો તું તે જરૂર પામીશ; પણ જો તું મને જતો નહિ જુએ તો નહિ મળે.” ચાલતાં ચાલતાં તેઓ વાતો કરતા હતા તેવામાં અગ્નિઘોડાઓથી ચાલતો એક અગ્નિરથ એકાએક તે બન્‍નેની વચમાં આવી ગયો અને એલિયા વંટોળિયામાં આકાશમાં ઉંચકાઈ ગયો. એ દૃશ્ય જોઈને, એલિશા બૂમ પાડી ઊઠયો, “બાપ રે બાપ, ઇઝરાયલના રથો અને તેમના સવારો!” પછી તેણે એલિયાને કદી જોયો નહિ. એલિશાએ દુ:ખમાં ને દુ:ખમાં પોતાનો ઝભ્ભો ફાડીને તેના બે ભાગ કરી નાખ્યા. પછી તેણે એલિયાની પાસેથી પડેલો તેનો ઝભ્ભો ઉપાડી લઈ પાછો યર્દનને કાંઠે જઇ ઊભો રહ્યો. તેણે એલિયાનો ઝભ્ભો ફરીથી પાણી પર અફાળીને કહ્યું, “એલિયાના ઈશ્વર પ્રભુ ક્યાં છે?” તેણે તે પાણી પર અફાળ્યો કે પાણીના બે ભાગ થઈ ગયા અને તે ચાલીને સામે તટે ગયો. યરીખોમાંથી આવેલા પચાસ સંદેશવાહકો તેને જોઈને બોલ્યા, “એલિશા પર એલિયાનો આત્મા ઊતર્યો છે!” તેઓ તેને મળવા આવ્યા અને ભૂમિ પર શિર નમાવીને તેને પ્રણામ કર્યાં. તેમણે કહ્યું, “અમે અહીં પચાસ બળવાન પુરુષો છીએ. અમે જઈને તમારા ગુરુની શોધ કરીએ. કદાચ પ્રભુના આત્માએ તેમને ઊંચકી જઈને કોઈ પર્વત પર કે કોઈ ખીણમાં મૂકી દીધા હશે.” એલિશાએ જવાબ આપ્યો, “ના, તમારે જવાની જરૂર નથી.” પણ તેણે છેવટે કંટાળીને હા પાડી ત્યાં સુધી તેમણે જવા માટે આગ્રહ કર્યો. પછી પચાસ માણસોએ જઈને ત્રણ દિવસ સુધી ઊંચા નીચાં બધાં સ્થળે શોધખોળ ચલાવી; પણ તે તેમને મળ્યો નહિ. પછી તેઓ યરીખોમાં પાછા આવ્યા અને ત્યાં રોકાઈ ગયેલા એલિશાને મળ્યા. તેણે તેમને કહ્યું, “મેં તમને જવાનું ના નહોતું કહ્યું?” યરીખોના કેટલાક માણસોએ એલિશા પાસે જઇને કહ્યું, “ગુરુજી, તમે જાણો છો કે આ નગર તો સુંદર છે, પણ તેનું પાણી દૂષિત છે અને એનાથી દેશમાં સ્ત્રીઓને કસુવાવડ થઈ જાય છે.” તેણે આજ્ઞા કરી, “મને એક નવા કોડિયામાં મીઠું લાવી આપો.” તેઓ તે લઈ આવ્યા, એટલે તે ઝરણાએ ગયો અને પાણીમાં મીઠું નાખી બોલ્યો, “પ્રભુ આમ કહે છે: ‘મેં આ પાણી શુદ્ધ કર્યાં છે. એનાથી હવે મૃત્યુ કે કસુવાવડ થશે નહિ.” અને એલિશાએ કહ્યું હતું તેમ ત્યારથી એ પાણી શુદ્ધ છે. એલિશા યરીખોથી બેથેલ ઉપડયો, તો રસ્તે જતાં નગરમાંથી છોકરાઓએ નીકળી આવી તેની મજાક ઉડાવી. તેમણે બૂમો પાડી, “ઓ ટાલિયા, ચાલ્યો જા! ઓ ટાલિયા, ચાલ્યો જા.” એલિશાએ તેમના તરફ ફરીને તાકી રહ્યો અને ઈશ્વર યાહવેને નામે તેમને શાપ દીધો. પછી જંગલની ઝાડીમાંથી બે રીંછણોએ આવીને તેમનામાંથી બેંતાળીસ છોકરાંને ફાડી નાખ્યાં. એલિશા ર્કામેલ પર્વત સુધી ગયો અને ત્યાંથી સમરૂન પાછો ફર્યો. યહૂદિયાના રાજા યહોશાફાટના અમલના અઢારમા વર્ષમાં આહાબનો પુત્ર યોરામ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં બાર વર્ષ રાજ કર્યું. તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. છતાં તે તેના પિતા આહાબ કે તેની માતા ઇઝબેલ જેટલો દુષ્ટ નહોતો; કારણ, બઆલની પૂજા માટે તેના પિતાએ બનાવેલી પ્રતિમા તેણે તોડી પાડી. તો પણ તેની અગાઉ થઈ ગયેલ નબાટનો પુત્ર રાજા યરોબામ જેણે ઇઝરાયલીઓને મૂર્તિપૂજાના પાપમાં દોર્યા, તેનું અનુકરણ કરવાથી તે અટક્યો નહિ. મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો અને તે ઇઝરાયલના રાજાને પ્રતિ વર્ષે ખંડણી પેટે એક લાખ હલવાન અને એક લાખ ઘેટાંનું ઊન આપતો. પણ ઇઝરાયલનો રાજા આહાબ મરણ પામ્યો એટલે મેશાએ ઇઝરાયલ સામે બળવો પોકાર્યો. યોરામે તરત જ ઇઝરાયલના સૈન્યને સાબદું કર્યું અને સમરૂનમાંથી કૂચ કરી ઉપડયો. તેણે યહૂદિયાના રાજા યહોશાફાટ પર સંદેશો મોકલ્યો: “મોઆબના રાજાએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે; તેની સામે લડાઈ કરવામાં તમે મારી સાથે જોડાશો?” યહોશાફાટ રાજાએ જવાબ આપ્યો, “હું જોડાઈશ. હું તમારા પક્ષમાં છું અને એ જ પ્રમાણે મારા માણસો અને મારા ઘોડા પણ તમારા પક્ષમાં જ છે. આપણે કયે માર્ગે હુમલો કરીશું?” યોરામે જવાબ વાળ્યો, “આપણે અદોમના રણપ્રદેશમાં થઈને જઈશું.” એમ રાજા યોરામ તેમજ યહૂદિયા અને અદોમના રાજાઓ ઉપડયા. ચકરાવો ખાઈને લાંબે રસ્તે સાત દિવસ કૂચ કર્યા પછી પાણી ખૂટી પડયું અને સૈન્ય કે ભારવાહક પ્રાણીઓ માટે બિલકુલ પાણી રહ્યું નહિ. યોરામ બોલી ઊઠયો, “આપણું આવી બન્યું. પ્રભુએ જ આપણ ત્રણે રાજાઓને મોઆબના રાજાના હાથમાં સોંપી દેવા ભેગા કર્યા છે.” યહોશાફાટ રાજાએ પૂછયું, “જેની મારફતે પ્રભુને પૂછી શકીએ એવો કોઈ સંદેશવાહક અહીં છે?” યોરામ રાજાના એક લશ્કરી અધિકારીએ જવાબ આપ્યો, “શાફાટનો પુત્ર એલિશા અહીં છે. તે એલિયાની સેવામાં રહેતો હતો.” યહોશાફાટ રાજાએ કહ્યું, “તેની પાસે સાચે જ પ્રભુનો સંદેશ હોય છે.” તેથી ઇઝરાયલનો રાજા, યહૂદિયાનો રાજા અને અદોમનો રાજા એલિશા પાસે ગયા. એલિશાએ ઇઝરાયલના રાજાને કહ્યું, “મારી સાથે તમારે શી લેવાદેવા છે? તમારાં માતપિતા જેમને પૂછવા જતાં હતાં એ સંદેશવાહકોને જઈને પૂછો.” યોરામે જવાબ આપ્યો, “ના, ના, પ્રભુએ જ અમને ત્રણે રાજાઓને મોઆબના રાજાના હાથમાં સોંપી દેવા ભેગા કર્યા છે.” એલિશાએ કહ્યું, “જેમની સેવા હું કરું છું તે સેનાધિપતિ પ્રભુના જીવના સમ, જો હું યહૂદિયાના રાજા યહોશાફાટનું માન રાખતો ન હોત તો હું તમારી સામું જોવા નજર સરખીય નાખત નહિ. તો હવે મારી પાસે એક સંગીતકાર લઈ આવો.” સંગીતકારે પોતાનું વાજિંત્રવાદન શરૂ કર્યું કે એલિશા પર પ્રભુનું પરાક્રમ ઊતર્યું. અને તે બોલ્યો, “પ્રભુ આમ કહે છે: ‘સુકાઈ ગયેલા ઝરણાના આ પટમાં બધે ખાઈઓ ખોદો. તમને વરસાદ કે પવન દેખાશે નહિ; તો પણ આ ઝરણાનો પટ પાણીથી ભરાઈ જશે અને તમે, તમારાં ઢોરઢાંક અને ભારવાહક પ્રાણીઓને પીવા પુષ્કળ પાણી મળી રહેશે.” વળી, એલિશાએ કહ્યું, “એમ કરવું એ તો પ્રભુને માટે સાવ નજીવી બાબત છે અને તે તમને મોઆબીઓ પર વિજય પણ અપાવશે. તમે તેમનાં સર્વ સુંદર કિલ્લેબંધીવાળાં નગરો કબજે કરશો; તેમનાં ફળાઉ વૃક્ષો કાપી નાખશો; તેમના ઝરા બંધ કરી દેશો અને તેમનાં ફળદ્રુપ ખેતરોને પથ્થરોથી છાઈ દઈ તેમને નકામાં બનાવી દેશો.” પછીની સવારે, સવારના નિત્યના અર્પણના સમયે, અદોમ તરફથી પાણી આવ્યાં અને એ સમગ્ર પ્રદેશમાં ફરી વળ્યાં. મોઆબીઓએ સાંભળ્યું કે ત્રણ રાજાઓ તેમના પર આક્રમણ લઈ આવ્યા છે ત્યારે શસ્ત્ર સજી શકે તેવી ઉંમરના બધા માણસો એકઠા થયા અને તેમણે સરહદ પર મોરચો માંડયો. બીજી સવારે તેઓ ઊઠયા ત્યારે સૂર્ય પાણી પર પ્રકાશતો હતો અને તેથી તે રક્તવર્ણું દેખાયું. તેઓ બોલી ઊઠયા, “એ તો રક્ત છે! ત્રણેય શત્રુઓએ અંદરોઅંદર લડીને એકબીજાને મારી નાખ્યા છે! ચાલો, જઈને તેમની છાવણી લૂંટીએ!” તેઓ છાવણીમાં પહોંચ્યા એટલે ઇઝરાયલીઓએ તેમના પર હુમલો કર્યો એટલે મોઆબીઓ તેમનાથી ભાગ્યા. ઇઝરાયલીઓએ છેક તેમના દેશ સુધી પીછો કરી તેમની ક્તલ ચલાવી અને તેમણે તેમનાં નગરોનો નાશ કર્યો. ફળદ્રુપ ખેતરમાં થઈને પસાર થતાં પ્રત્યેક ઇઝરાયલી તેમાં પથ્થર ફેંક્તો; એમ છેવટે બધાં ખેતરો પથ્થરોથી છવાઈ ગયાં. તેમણે ઝરા બંધ કરી દીધા અને ફળાઉ વૃક્ષો કાપી નાખ્યાં. છેવટે પાટનગર કિર-હેરેસ બાકી રહ્યું, અને ગોલંદાજોએ તેને ઘેરો ઘાલી તેના પર હુમલો કર્યો. મોઆબના રાજાને લાગ્યું કે લડાઈ હવે તેના હાથમાં રહી નથી, ત્યારે તેણે પોતાની સાથે સાતસો તલવારધારી માણસોને લઈને શત્રુની હરોળ છેદી અરામના રાજા પાસે નાસી છૂટવાનો પ્રયાસ કર્યો, પણ તે સફળ થયો નહિ. તેથી તેણે પોતાનો જયેષ્ઠપુત્ર જે તેના પછી રાજા થનાર હતો તેનું નગરની દીવાલ પર બલિદાન ચઢાવ્યું. ઇઝરાયલીઓએ એથી ભયભીત થઈને નગરમાંથી પીછેહઠ કરી અને પોતાના દેશમાં પાછા ફર્યા. સંદેશવાહકોના સંઘના એક સભ્યની વિધવાએ એલિશા પાસે જઈને તેને કહ્યું, “ગુરુજી, તમારા સેવક મારા પતિ મરણ પામ્યા છે! તમે જાણો છો કે તે ઈશ્વરથી ડરીને ચાલનાર હતા, પણ હવે તેમનો લેણદાર દેવા પેટે મારા બે પુત્રોને ગુલામ તરીકે લઈ જવા આવ્યો છે.” એલિશાએ પૂછયું, “તારે માટે હું શું કરું? તારા ઘરમાં તારી પાસે શું છે તે કહે.” તેણે જવાબ આપ્યો, “એક નાની બરણીમાં થોડાક ઓલિવ તેલ સિવાય બીજું કંઈ જ નથી.” એલિશાએ તેને કહ્યું, “તારા પડોશીઓ પાસે જઈને શકાય તેટલી બધી બરણીઓ માગી લાવ. પછી તું અને તારા પુત્રો ઘરમાં પેસી, બારણું બંધ કરી અને બરણીઓમાં તેલ રેડવા માંડો. જે બરણી ભરાઈ જાય તેને એક બાજુએ મૂક્તા જાઓ.” તેથી પેલી સ્ત્રી પોતાના પુત્રો સાથે ઘરમાં ગઈ, અને બારણું બંધ કર્યું પછી ઓલિવ તેલની નાની બરણી લીધી અને તેના પુત્રો તેની પાસે જેમ જેમ બરણીઓ લાવતા ગયા તેમ તેમ તેમાં તેલ રેડયું. બધી બરણીઓ ભરાઈ ગયા પછી તેણે પૂછયું કે, “હવે કોઈ બરણી બાકી છે?” તેના એક પુત્રે કહ્યું, “એ છેલ્લી બરણી હતી.” અને ઓલિવ તેલ વહેતું બંધ થયું. તેણે ઈશ્વરભક્ત એલિશા પાસે જઈને તેને જાણ કરી. તેણે તેને કહ્યું, જા, ઓલિવ તેલ વેચી દે અને તારું સઘળું દેવું ચૂકવી દે; એ પછી પણ તારા અને તારા પુત્રોના ગુજરાન માટે પૂરતા પૈસા વયા હશે.” એક દિવસે એલિશા શૂનેમ ગયો, જ્યાં એક ધનવાન સ્ત્રી રહેતી હતી. તેણે તેને જમવા આમંત્રણ આપ્યું, અને તે પછી તે જ્યારે જ્યારે શૂનેમ જતો ત્યારે ત્યારે તેને ત્યાં જ જમતો. તેણે પોતાના પતિને કહ્યું, “આપણે ત્યાં અવારનવાર આવનાર આ માણસ પવિત્ર ઈશ્વરભક્ત છે તેની મને ખાતરી થઈ છે. તો આપણે ધાબા ઉપર એક નાની ઓરડી બાંધીએ, અને તેમાં પથારી, બાજઠ, આસન અને દીવો રાખીએ; જેથી જ્યારે તે આપણી મુલાકાતે આવે ત્યારે તેમાં રહી શકે.” એક દિવસે એલિશા શૂનેમ આવ્યો અને આરામ માટે તેની ઓરડીમાં ગયો. તેણે પોતાના સેવક ગેહઝીને મોકલીને શૂનેમની એ સ્ત્રીને બોલાવી લાવવા જણાવ્યું. તે આવી એટલે, એલિશાએ ગેહઝીને કહ્યું, “તેણે આપણી ખૂબ સારસંભાળ લીધી છે. ભારે જહેમત ઉઠાવી છે. તો હવે તેના બદલામાં હું તેને માટે શું કરું તે તેને પૂછી જો. હું રાજા કે સેનાપતિ પાસે જઈ તેમને માટે ભલામણ કરું એવી કદાચ તેની ઇચ્છા હોય.” તેણે જવાબ આપ્યો, “હું મારા લોક સાથે વસું છું અને બધી વાતે સુખી અને સંપન્‍ન છું.” એલિશાએ ગેહઝીને પૂછયું, “તો પછી હું તેને માટે શું કરું?” તેણે કહ્યું, “તેને પુત્ર નથી અને તેનો પતિ વૃદ્ધ છે.” એલિશાએ કહ્યું, “તેને અહીં બોલાવ.” તે આવીને બારણામાં ઊભી રહી. એલિશાએ તેને કહ્યું, “આવતે વર્ષે આ સમયે તારી ગોદમાં પુત્ર હશે.” તે બોલી ઊઠી, “ગુરુજી, કૃપા કરી મને જૂઠું ન કહેશો. તમે તો ઈશ્વરભક્ત છો!” પણ ઈશ્વરભક્ત એલિશાએ કહ્યું હતું તેમ પછીને વર્ષે તે જ સમયે તેને પુત્ર જનમ્યો. છોકરો મોટો થયો. એક દિવસે તે તેના પિતા જ્યાં કાપણી કરનાર મજૂરો સાથે ખેતરમાં હતા ત્યાં ગયો. એકાએક તેણે તેના પિતાને બૂમ પાડી, “મારું માથું, મારું માથું દુ:ખે છે!” પિતાએ એક નોકરને કહ્યું, “છોકરાને તેની મા પાસે લઈ જા.” નોકર છોકરાને ઊંચકીને તેની મા પાસે લઈ ગયો. માએ તેને બપોર સુધી ખોળામાં રાખ્યો અને તેટલા સમયમાં તો તે મરી ગયો. તે તેને ઉપર ઈશ્વરભક્ત એલિશાની ઓરડીમાં લઈ ગઈ અને તેને પથારીમાં સૂવાડીને બારણું બંધ કરી ત્યાંથી નીકળી. પછી તેણે પોતાના પતિને બોલાવીને તેને કહ્યું, “એક નોકરને ગધેડા સાથે મોકલો; જેથી હું ઈશ્વરભક્ત એલિશા પાસે જઈને સત્વરે પાછી ફરી શકું.” તેના પતિએ પૂછયું, “તેમની પાસે આજે જવાની શી જરૂર છે. આજે તો ચાંદ્રમાસના પ્રથમ દિવસનું પર્વ કે સાબ્બાથ પણ નથી.” તેણે કહ્યું, “કંઈ વાંધો નહિ.” પછી તેણે ગધેડા પર જીન મૂકાવ્યું અને નોકરને કહ્યું, “ગધેડાને શકાય તેટલું ઝડપથી દોડાવ અને તને કહું નહિ ત્યાં સુધી તેને ધીમું પાડતો નહિ.” એમ તે ઊપડી અને ઈશ્વરભક્ત એલિશા જ્યાં રહેતો હતો ત્યાં ર્કામેલ પર્વત પર ગઈ. હજુ તે દૂર હતી ત્યાંથી એલિશાએ પેલી શૂનેમની સ્ત્રીને આવતી જોઈને પોતાના સેવક ગેહઝીને કહ્યું, “જો, શૂનેમની પેલી સ્ત્રી આવી રહી છે! તેની પાસે ઉતાવળે જઈને પૂછી જો કે તે, તેનો પતિ અને તેનો પુત્ર કુશળ છે કે કેમ.” તેણે ગેહઝીને કહ્યું, “કુશળ છે.” પણ તે ઈશ્વરભક્ત એલિશા પાસે આવી એટલે તેની આગળ નમી પડીને તેના પગ પકડયા. ગેહઝી તેને હટાવી દેવા જતો હતો, પણ એલિશાએ તેને કહ્યું, “તેને રહેવા દે. તે કેવા ભારે દુ:ખમાં ડૂબી ગઈ છે તે તું જોતો નથી? વળી, પ્રભુએ પણ તે વિષે મને કંઈ કહ્યું નથી.” સ્ત્રીએ તેને કહ્યું, “ગુરુજી, મેં તમારી પાસે પુત્રની માગણી કરી હતી? તમે મને વધુ પડતી ઊંચી આશા ન બંધાવશો એવું મેં તમને નહોતું કહ્યું?” એલિશાએ ગેહઝી તરફ ફરીને તેને કહ્યું, “કમર કાસીને ઝટપટ તૈયાર થઈ જા અને મારી લાકડી લઈને જા. કોઈ તને મળે તેને સલામ પાઠવવા પણ થોભતો નહિ, અને કોઈ તને સલામ પાઠવે, તો સામી સલામ પાઠવવાય થોભીશ નહિ. સીધો ઘેર જા અને છોકરાના મોં પર મારી લાકડી મૂક.” સ્ત્રીએ એલિશાને કહ્યું, “પ્રભુના અને તમારા જીવના સમ, હું તમને મૂકીને જવાની નથી.” તેથી એલિશા ઊઠીને તેની સાથે ગયો. ગેહઝી આગળ ગયો અને છોકરા પર એલિશાની લાકડી ધરી રાખી, પણ ન તો કંઈ અવાજ થયો કે ન તો જીવ આવ્યાનો બીજો કોઈ સંકેત મળ્યો. તેથી તે એલિશા પાસે પાછો ફર્યો અને કહ્યું, “છોકરો જીવતો થયો નથી.” એલિશા આવ્યો એટલે ઓરડીમાં એકલો ગયો અને છોકરાને પથારીમાં મરેલો પડયો જોયો. તેણે ઓરડી બંધ કરી અને પ્રભુને પ્રાર્થના કરી. પછી પોતાનું માથું, આંખો અને હાથ છોકરાનાં માથું, આંખો અને હાથ પર મૂકીને તે છોકરા પર સૂતો. તે છોકરા પર સૂતો હતો ત્યારે છોકરાના શરીરમાં ગરમાવો આવવા લાગ્યો. એલિશા ઊભો થયો, અને ઓરડીમાં ફરવા લાગ્યો અને ફરીથી છોકરા પર સૂતો. છોકરાએ સાત વાર છીંક ખાધી અને પછી પોતાની આંખો ઉઘાડી. એલિશાએ ગેહઝીને બોલાવીને છોકરાની માને બોલાવવા કહ્યું. તે અંદર આવી એટલે તેણે તેને કહ્યું. “લે, તારો દીકરો.” તે જમીન પર મસ્તક નમાવી એલિશાને પગે પડી. પછી તે પોતાના દીકરાને લઈ ગઈ. એકવાર આખા દેશમાં દુકાળ હતો ત્યારે એલિશા ગિલ્ગાલ આવ્યો. તે સંદેશવાહકોના સંઘને શિક્ષણ આપી રહ્યો હતો ત્યારે તેણે તેના નોકરને આગ પર મોટું તપેલું મૂકી તેમને માટે થોડું માંસ બાફીને સેરવો બનાવવા કહ્યું. તેઓમાંથી એક જણ ખેતરોમાંથી કંઈક છોડપાન લેવા ગયો. તેને એક જંગલી વેલો મળી ગયો અને તેણે પોતાના ઉપરણામાં સમાય તેટલાં ઇંદ્રવરણાં તોડી લીધાં. પછી તે લાવીને એ શું છે તે જાણ્યા વિના સેરવામાં નાખ્યાં. માણસોને જમવા માટે સેરવો પીરસ્યો, પણ ચાખતાંની સાથે જ તેમણે એલિશાને કહ્યું, “ઈશ્વરભક્ત, એમાં તો મોત છે!” અને તેઓ તે ખાઈ શક્યા નહિ. એલિશાએ થોડોક લોટ મંગાવીને તપેલામાં નાખ્યો અને કહ્યું, “હવે તેમને થોડો વધારે સેરવો પીરસો.” હવે તેમાં કંઈ નુક્સાનકારક રહ્યું નહોતું. બીજી એકવાર બઆલશાલીશાથી એક માણસ આવ્યો. તે ઈશ્વરભક્ત એલિશા માટે તે વર્ષે નવી ફસલના પ્રથમ કાપેલા જવમાંથી બનાવેલી વીસ રોટલી અને તાજાં કાપેલાં અનાજનાં થોડાં ડૂંડાં લાવ્યો હતો. એલિશાએ તેના નોકરને એમાંથી સંદેશવાહકોના સંઘને જમાડવા કહ્યું. પણ તેણે કહ્યું, “આ કંઈ સો માણસોને બસ થાય તેટલો ખોરાક નથી.” એલિશાએ જવાબ આપ્યો, “તેમને તેમાંથી પીરસવા માંડ; કારણ, પ્રભુ કહે છે કે તેઓ ખાશે તોય થોડું વધશે.” તેથી નોકરે તેમને ખોરાક પીરસ્યો અને પ્રભુએ કહ્યું હતું તેમ તેઓ સૌએ ખાધું અને છતાંય થોડું વયું. અરામના રાજાની દૃષ્ટિમાં તેનો સેનાપતિ નામાન માનીતો અને પ્રતિષ્ઠિત હતો. કારણ, તેની મારફતે પ્રભુએ અરામના સૈન્યને વિજય અપાવ્યો હતો. તે શૂરવીર લડવૈયો હતો, પણ તેને કોઢ હતો. ઇઝરાયલ પરના એક હુમલામાં અરામીઓ એક નાની ઇઝરાયલી છોકરીને પકડી લાવ્યા હતા, જે નામાનની પત્નીની દાસી બની. એક દિવસે તેણે પોતાની શેઠાણીને કહ્યું, “મારા માલિક સમરૂનમાં રહેતા સંદેશવાહક પાસે જાય તો કેવું સારું! તે તેમનો કોઢ મટાડી દેશે.” નામાનને એ વાતની જાણ થતાં છોકરીએ જે કહ્યું હતું તે તેણે રાજાને જણાવ્યું. અરામના રાજાએ તેને કહ્યું, “તો ઇઝરાયલના રાજા પાસે જાઓ; અને તેના પર આ પત્ર લઈ જાઓ.” એમ નામાન ચાંદીના ત્રીસ હજાર સિક્કા, સોનાના છ હજાર સિક્કા અને મુલાયમ વસ્ત્રોની દસ જોડ લઇને ઉપડયો. ઇઝરાયલના રાજાને પાઠવેલા પત્રમાં આવું લખ્યું હતું: “આ પત્ર લાવનાર નામાન મારા અધિકારી છે. તમે તેનો રોગ મટાડશો.” ઇઝરાયલના રાજાએ પત્ર વાંચીને હતાશામાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને બોલી ઊઠયો, “અરામનો રાજા મારી પાસે આ માણસને સાજો કરાવવાની શી રીતે અપેક્ષા રાખે છે? હું તે કંઈ મારનાર કે જીવાડનાર ઈશ્વર છું? દેખીતી રીતે જ તે મારી સાથે લડવાનું નિમિત્ત શોધે છે!” ઈશ્વરભક્ત એલિશાએ એ વિષે સાંભળીને રાજાને સંદેશો મોકલ્યો: “તમે શા માટે દુ:ખી થઈ ગયા છો? એ માણસને મારી પાસે મોકલો એટલે તેને ખબર પડશે કે ઇઝરાયલમાં સંદેશવાહક છે!” તેથી નામાન પોતાના ઘોડા અને રથો લઈને ગયો અને એલિશાના ઘરના પ્રવેશદ્વારે ઊભો રહ્યો. એલિશાએ પોતાના નોકરને મોકલીને તેને કહેવડાવ્યું કે, “તે યર્દન નદીમાં જઈ સાત વાર ડૂબકી મારે એટલે તેનો કોઢ બિલકુલ મટી જશે.” પણ નામાન ક્રોધથી તપી ઊઠયો અને ત્યાંથી જતો રહ્યો. તેણે કહ્યું, “મેં તો એમ ધાર્યું હતું કે તે બહાર આવીને તેના ઈશ્વર યાહવેને નામે પ્રાર્થના કરશે અને કોઢવાળાં અંગ પર હાથ ફેરવી મને સાજો કરશે! વળી, દમાસ્ક્સમાં આબાના અને ફાર્પાર નદીઓ ઇઝરાયલની નદી કરતાં સારી નથી? એમાં સ્નાન કરીનેય હું સાજો થઈ શક્યો હોત!” તેના સેવકોએ તેની પાસે જઈ તેને કહ્યું, “સાહેબ, સંદેશવાહકે તમને કોઈ અઘરું કામ કહ્યું હોત તો તે તમે ન કરત? તો પછી તમે જઈને તેમના કહેવા મુજબ સ્નાન કરીને સાજા કેમ થતા નથી?” તેથી નામાને યર્દનમાં જઈને ઈશ્વરભક્ત એલિશાએ આપેલી સૂચના પ્રમાણે સાતવાર ડૂબકી મારી અને તે સંપૂર્ણ સાજો થઈ ગયો. તેનું માંસ બાળકના માંસ જેવું તંદુરસ્ત અને નીરોગી થઈ ગયું. તે પોતાના સઘળા રસાલા સાથે ઈશ્વરભક્ત એલિશા પાસે પાછો ફર્યો અને કહ્યું, “હવે હું જાણું છું કે ઇઝરાયલના ઈશ્વર સિવાય કોઈ ઈશ્વર નથી. તેથી કૃપા કરી મારી ભેટ સ્વીકારો.” એલિશાએ જવાબ આપ્યો, “જેમની સેવા હું કરું છું તે પ્રભુના જીવના સમ, કે હું કંઈ ભેટ સ્વીકારીશ નહિ.” નામાને એ ભેટ સ્વીકારવા આગ્રહ કર્યો, પણ તેણે માન્યું નહિ. તેથી નામાને કહ્યું, “તમે મારી ભેટ ન સ્વીકારો તો મને મારે ઘેર લઈ જવા બે ગધેડાં ભાર માટી આપો, કારણ, હું હવે યાહવે સિવાય અન્ય કોઈ દેવને બલિદાનો કે દહન-બલિ ચઢાવીશ નહિ. હું મારા રાજા સાથે અરામના દેવ રિમ્મોનના મંદિરમાં જઉં છું, ત્યારે તેની આગળ નમું છું એ બાબતમાં પ્રભુ મને ક્ષમા કરો. પ્રભુ મને જરૂર ક્ષમા કરશે.” એલિશાએ કહ્યું, “શાંતિએ જા.” પછી નામાન ગયો. હજી તો એ થોડે દૂર ગયો હશે, એવામાં ઈશ્વરભક્ત એલિશાના સેવક ગેહજીએ પોતાના મનમાં કહ્યું, “મારા ગુરુએ નામાનને તેની પાસેથી બદલામાં કશું લીધા વિના જવા દીધો! એ અરામી તેમને જે આપતો હતો તે તેમણે સ્વીકારી લેવાની જરૂર હતી. પ્રભુના જીવના સમ હું તેની પાછળ દોડીશ અને તેની પાસેથી કંઈક મેળવીશ.” તેથી તે નામાન પાછળ ઉપડયો. નામાન પોતાની પાછળ માણસને દોડતો આવતો જોઈને તેને મળવા રથમાંથી ઊતરી પડયો અને તેને પૂછયું, “બધું ક્ષેમકુશળ છે ને?” ગેહઝીએ જવાબ આપ્યો, “ના. મને મારા માલિકે તમને કહેવા મોકલ્યો છે કે એફ્રાઈમના પહાડીપ્રદેશમાંથી સંદેશ- વાહકોના સંઘના બે માણસો હમણાં જ આવી પહોંચ્યા છે અને તમે તેમને ચાંદીના ત્રણ હજાર સિક્કા અને મુલાયમ વસ્ત્રની બે જોડ આપો.” નામાને જવાબ આપ્યો, “કૃપયા ચાંદીના છ હજાર સિક્કા લો.” તેણે તે લેવા આગ્રહ કર્યો અને ચાંદીના બે પોટલાં બંધાવીને મુલાયમ વસ્ત્રોની બે જોડ લઈને તેના બે નોકરો ગેહઝીની સાથે આગળ મોકલ્યા. એલિશા રહેતો હતો તે પહાડ પર તેઓ પહોંચ્યા તો ગેહઝીએ બે પોટલાં લઈને ઘરમાં મૂક્યાં. પછી તેણે નામાનના નોકરોને પાછા મોકલ્યા. તે પાછો ઘરમાં ગયો એટલે એલિશાએ તેને પૂછયું, “તું ક્યાં ગયો હતો?” તેણે કહ્યું, “ગુરુજી, ક્યાંયે નહિ.” પણ એલિશાએ તેને કહ્યું, “એ માણસ તને મળવા રથમાંથી નીચે ઊતર્યો ત્યારે મારું હૃદય ત્યાં તારી સાથે નહોતું? અત્યારે પૈસા, વસ્ત્રો, ઓલિવવાડીઓ કે દ્રાક્ષવાડીઓ, ઘેટાં, પશુઓ કે નોકરો સ્વીકારવાનો આ સમય છે? હવે નામાનનો કોઢ તારા પર અને તારા વંશજો પર હમેશાં ઊતરશે!” ગેહઝી ગયો ત્યારે તેને કોઢ લાગેલો હતો. તેની ચામડી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી. એક દિવસે એલિશા હસ્તકના સંદેશવાહકોના સંઘે તેની આગળ રજૂઆત કરી, “આપણે રહેવાની જગા ઘણી સાંકડી છે! અમને યર્દન જવા દો કે જેથી અમે દરેક એકએક મોટું લાકડું કાપી લાવીએ અને આપણે માટે એક નિવાસસ્થાન બાંધીએ.” એલિશાએ કહ્યું, “ભલે.” તેઓમાંથી એકે એલિશાને તેમની સાથે જવા વિનંતી કરી; તેથી તે જવા સંમત થયો. પછી તેઓ સાથે ઉપડયા. તેઓ યર્દન આવ્યા એટલે કામ શરૂ કર્યું. તેઓમાંથી એક જણ વૃક્ષ કાપતો હતો ત્યારે અચાનક તેનો કુહાડો પાણીમાં પડી ગયો. તેણે એલિશાને કહ્યું, “ગુરુજી, હવે શું કરું? એ તો માગી આણેલો કુહાડો હતો.” ઈશ્વરભક્ત એલિશાએ પૂછયું, “તે ક્યાં પડી ગયો છે?” પેલા માણસે જગ્યા બતાવી એટલે એલિશાએ એક લાકડું કાપીને પાણીમાં નાખ્યું અને લોખંડના કુહાડાને પાણીમાં તરતો કર્યો. તેણે આજ્ઞા કરી, “હાથ લંબાવીને તે લઈ લે,” એટલે તે માણસે નીચા વળીને તે ઉપાડી લીધો. અરામનો રાજા ઇઝરાયલ સાથે યુદ્ધે ચડયો હતો. તેણે પોતાના અધિકારીઓનો પરામર્શ કરી પોતાનો પડાવ નાખવાની જગ્યા પસંદ કરી. પણ ઈશ્વરભક્ત એલિશાએ ઇઝરાયલના રાજા પર સંદેશો મોકલીને તેને એ જગ્યા પાસે ન જવા ચેતવી દીધો, કારણ, અરામીઓ ત્યાં છાપો મારવા સંતાયા હતા. તેથી ઈશ્વરભક્તની ચેતવણી પ્રમાણે ઇઝરાયલના રાજાએ એ જગ્યામાં રહેતા તેના માણસોને ચેતવીને સાવધ કરી દીધા. આવું તો અનેકવાર બન્યું. એનાથી અરામનો રાજા ખૂબ અકળાયો. તેણે પોતાના અધિકારીઓને બોલાવીને તેમને પૂછયું, “તમારામાંથી ઈઝરાયલના રાજાના પક્ષનો કોણ છે?” તેમનામાંથી એકે ઉત્તર આપ્યો, “હે રાજા, મારા માલિક, કોઈ નહિ; પણ તમે તમારા પોતાના ખંડના એકાંતમાં જે બોલો છો તે પણ ઈઝરાયલ દેશમાંનો સંદેશવાહક એલિશા ઇઝરાયલના રાજાને કહી દે છે.” રાજાએ હુકમ કર્યો, “તે ક્યાં છે તે શોધી કાઢો. હું તેને પકડી લઈશ.” તેને એવી બાતમી મળી કે એલિશા દોથાનમાં છે. તેથી તેણે રથો અને ઘોડા સહિત મોટું સૈન્ય મોકલ્યું. તેમણે નગરમાં રાત્રે પહોંચી જઈ તેને ઘેરી લીધું. બીજી સવારે ઈશ્વરભક્ત એલિશાના નોકરે વહેલા ઊઠીને ઘર બહાર જોયું તો અરામના લશ્કરે તેમના ઘોડાઓ અને રથો સાથે આવી નગરને ઘેરી લીધું હતું. તેણે એલિશા પાસે જઈને તેને કહ્યું, “ગુરુજી, આપણું આવી બન્યું. આપણે શું કરીએ?” એલીશાએ જવાબ આપ્યો, “ગભરાઈશ નહિ. તેમના પક્ષે જેટલા છે તેના કરતાં આપણે પક્ષે વધારે છે.” પછી તેણે પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, તેની આંખો ખોલો કે તે જુએ!” પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી અને એલિશાના નોકરે ઊંચી નજર કરી તો એલિશાની ચારે બાજુ અગ્નિ ઘોડા અને અગ્નિ રથોથી પર્વત છવાઈ ગયો હતો. અરામીઓએ હુમલો કર્યો એટલે એલિશાએ પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, આ માણસોને આંધળા કરી દો!” પ્રભુએ તેની પ્રાર્થના સાંભળીને તેમને આંધળા બનાવી દીધા. પછી એલિશાએ તેમની પાસે જઈને કહ્યું, “તમે અવળે માર્ગે ચડી ગયા છો. તમે શોધો છે તે નગર આ નથી. મારી પાછળ આવો એટલે તમે જેની શોધમાં છો તે માણસ પાસે હું તમને લઈ જઉં.” અને તે તેમને સમરૂન લઈ ગયો. તેઓ નગરમાં પ્રવેશ્યા કે એલિશાએ પ્રાર્થના કરી, “પ્રભુ, તેમની આંખો ખોલો અને તેમને દેખતા કરો.” પ્રભુએ તેની પ્રાર્થના સાંભળીને તેમને તેમની દૃષ્ટિ પાછી આપી. તેમણે જોયું કે તેઓ તો સમરૂનમાં છે. ઇઝરાયલના રાજાએ અરામીઓને જોઈને એલિશાને પૂછયું, “ગુરુજી, હું તેમને મારી નાખું? તેમને મારી નાખું?” તેણે જવાબ આપ્યો, “ના, યુદ્ધમાં બાણતલવારના જોરે પકડાયેલા કેદી સૈનિકોને પણ તમે મારી નાખતા નથી. તેમને થોડાં ખોરાકપાણી આપો અને પછી તેમના રાજા પાસે પાછા મોકલો.” તેથી ઇઝરાયલના રાજાએ તેમને મોટી મિજબાની આપી અને તેઓ ખાઈપી રહ્યા એટલે તેણે તેમને અરામના રાજા પાસે પાછા મોકલ્યા. ત્યારથી અરામીઓએ ઇઝરાયલના દેશ પર આક્રમણ કરવાનું બંધ કર્યું. થોડા સમય બાદ અરામનો રાજા બેનહદાદ ઇઝરાયલ સામે પોતાનું સમસ્ત સૈન્ય લઈને આવ્યો અને સમરૂન નગરને ઘેરો ઘાલ્યો. ઘેરાને લીધે નગરમાં ખોરાકની એટલી તીવ્ર તંગી પ્રવર્તતી હતી કે ગધેડાના માથાની કિંમત ચાંદીના એંસી સિક્કા અને કબૂતરની પાંચસો ગ્રામ હગારની કિંમત ચાંદીના પાંચ સિક્કા હતી. ઇઝરાયલનો રાજા નગરના કોટ પર ચાલતો હતો હતો ત્યારે એક સ્ત્રીએ બૂમ પાડી, “હે રાજા, મારા માલિક, મદદ કરો!” તેણે કહ્યું, “પ્રભુ તરફથી મદદ ન મળતી હોય ત્યાં હું તને કેવી રીતે મદદ કરું? મારી પાસે કંઈ ઘઉં કે દ્રાક્ષાસવ છે? તને શું દુ:ખ છે?” તેણે જવાબ આપ્યો, “એક દિવસે આ સ્ત્રીએ એવું સૂચવ્યું કે આપણે તારો દીકરો ખાઈએ અને પછીને દિવસે મારો દીકરો ખાઈશું. તેથી અમે મારો દીકરો રાંધીને ખાધો. બીજે દિવસે મેં તેને કહ્યું કે આપણે તારો દીકરો ખાઈએ, પણ તેણે તે સંતાડી દીધો છે!” એ સાંભળીને રાજાએ અત્યંત દુ:ખી થઈને પોતાનાં વસ્ત્ર ફાડયાં અને તેની નજીક કોટ પર ઊભેલા લોકોએ જોયું કે પોતાનાં વસ્ત્રો નીચે તેણે અળસીરેસાનાં શોકદર્શક વસ્ત્રો પહેર્યાં હતાં. તે બોલી ઊઠયો, “દિવસ પૂરો થાય તે પહેલાં શાફાટના પુત્ર એલિશાનો શિરચ્છેદ ન કરું તો ઈશ્વર મને મારી નાખો.” અને તેણે એલિશાને બોલાવવા સંદેશક મોકલ્યો. દરમ્યાનમાં એલિશા તેને મળવા આવેલા કેટલાક આગેવાનો સાથે ઘેર હતો. રાજાનો સંદેશક આવી પહોંચ્યો તે પહેલાં એલિશાએ આગેવાનોને કહ્યું, “પેલો ખૂની મને મારી નાખવા કોઈને મોકલે છે. હવે તે અહીં આવે ત્યારે બારણાં બંધ કરી દઈ તેને અંદર આવવા દેશો નહિ. રાજા પોતે પણ તેની પાછળ પાછળ જ આવે છે.” તેણે હજી એ બોલવાનું પૂરું પણ નહોતું કર્યું ત્યાં રાજા આવી પહોંચ્યો અને કહ્યું, “આપણા પર પ્રભુએ જ આ આપત્તિ મોકલી છે તો પછી મારે તેમની સહાયને માટે ક્યાં રાહ જોવાની રહી?” એલિશાએ જવાબ આપ્યો, “પ્રભુ શું કહે છે તે સાંભળો! આવતી કાલે આ સમયે તમે સારામાં સારો ત્રણ કિલો મેંદો અથવા છ કિલો જવ ચાંદીના એક સિક્કાની કિંમતે ખરીદી શકશો.” રાજાના અંગરક્ષકે ઈશ્વરભક્ત એલિશાને કહ્યું, “પ્રભુ અત્યારે જ આકાશમાંથી વરસાદ વરસાવે તોય તેવું બને ખરું?” એલિશાએ જવાબ આપ્યો, “એવું બનેલું તું જોશે પણ તું પોતે એ ખોરાક ખાવા પામશે નહિ.” ચાર રક્તપિત્તિયા સમરૂનના દરવાજા બહાર એકબીજા સાથે વાત કરતા હતા, “આપણે મરી જઈએ ત્યાં સુધી અહીં રાહ જોવાની શી જરૂર છે? નગરમાં જવાનો કોઈ અર્થ નથી, કારણ, ત્યાં ભૂખે મરવું પડશે; અને અહીં રોકાઈ રહીએ તોય મરવાના છીએ. તેથી ચાલો, અરામીઓની છાવણીમાં જઈએ. તેઓ આપણને મારી ન નાખે, તો આપણે જીવતા રહીશું; વળી, કદાચ મારી નાખે તો ય શું? કારણ, આમે ય આપણે મરવાના તો છીએ.” તેથી અંધારું થવા માંડયું એટલે તેઓ ત્યાં પહોંચ્યા, પણ ત્યાં કોઈ નહોતું. પ્રભુએ અરામીઓને જાણે ઘોડા અને રથો સહિતનું મોટું સૈન્ય આગેકૂચ કરતું હોય તેવો અવાજ સંભળાવ્યો અને તેથી અરામીઓને લાગ્યું કે ઇઝરાયલના રાજાએ હિત્તી અને ઇજિપ્તી રાજાઓને અને તેમનાં લશ્કરોને તેમના પર હુમલો કરવા ભાડે રાખ્યાં છે. તેથી તે સાંજે અરામીઓ તેમના તંબૂ, ઘોડા અને ગધેડાં પડતાં મૂકી છાવણીને યથાવત્ છોડી દઈ જીવ લઈને ભાગી ગયા હતા. ચાર રક્તપિત્તિયા છાવણીને છેડે પહોંચ્યા અને એક તંબૂમાં જઈ ત્યાં જે હતું તે ખાધુંપીધું અને ચાંદી, સોનું, વસ્ત્રો અને જે કંઈ મળ્યું તે લૂંટી લીધું અને તેમને સંતાડી દીધું, પછી પાછા આવીને તેમણે બીજા તંબૂમાં પ્રવેશીને પણ એમ જ કર્યું. પણ પછી તેમણે એકબીજાને કહ્યું, “આ કંઈ આપણે સારું કરતા નથી; આપણી પાસે આ ખુશખબરનો દિવસ છે. તેથી આપણે ચૂપ રહેવું ન જોઈએ. જો આપણે સવાર સુધી સમાચાર આપવાનું મુલતવી રાખીશું તો આપણને જરૂર શિક્ષા થશે; તેથી ચાલો, જઈને રાજમહેલમાં તાકીદે ખબર પહોંચાડીએ.” તેથી તેઓ અરામીઓની છાવણીમાંથી સમરૂન પાછા ગયા અને દરવાનોને બૂમ પાડી બોલાવ્યા: “અમે અરામીઓની છાવણીમાં ગયા હતા તો ત્યાં કોઈ નહોતું; ઘોડા અને ગધેડાં બાંધેલાં છે અને અરામીઓ તંબૂઓ યથાવત્ છોડી જતા રહ્યા છે.” પછી દરવાનોએ પોકાર પાડીને એ વાતની ખબર રાજમહેલમાં પહોંચાડી. હજી તો રાત હતી પણ રાજાએ પથારીમાંથી જાગી ઊઠીને પોતાના અમલદારોને કહ્યું, “અરામીઓએ કેવો વ્યૂહ રચ્યો છે તે સમજો. તેમને અહીંના દુકાળની ખબર છે, તેથી તેઓ પોતાની છાવણી મૂકીને પહાડીપ્રદેશમાં સંતાઈ રહ્યા છે. તેમની ધારણા છે કે આપણે ખોરાક મેળવવા બહાર જઈશું અને પછી તેઓ આપણને જીવતા જ પકડી લેશે અને નગર કબજે કરી લેશે.” તેના અમલદારોમાંના એકે કહ્યું, “આમેય અગાઉ માર્યા ગયેલાઓની જેમ નગરના બાકીના લોકો પણ અહીં મરવાના છે. તેથી જે પાંચ ઘોડા બાકી રહ્યા છે તે લઈ આપણે કેટલાક માણસોને પરિસ્થિતિની જાતતપાસ માટે મોકલીએ, જેથી ખરેખર શું બન્યું છે તેની આપણને જાણ થાય.” તેથી તેમણે બે રથસવારોને તૈયાર કર્યા અને રાજાએ તેમને બે રથ સાથે અરામીઓના સૈન્યની તપાસ માટે મોકલ્યા. પેલા માણસો છેક યર્દન સુધી ગયા અને નાસી છૂટતી વખતે અરામીઓએ રસ્તે પડતાં મૂકેલાં વસ્ત્રો અને સાધન- સરંજામ તેમણે જોયાં. પછી તેમણે આવીને રાજાને અહેવાલ આપ્યો. સમરૂનના લોકોએ બહાર ધસી આવીને અરામીઓની છાવણી લૂંટી અને પ્રભુએ કહ્યું હતું તેમ સારામાં સારા ત્રણ કિલો જવ, ચાંદીના એક સિક્કાના ભાવે વેચાયા. હવે એવું બન્યું કે ઇઝરાયલના રાજાએ નગરના દરવાજાનો હવાલો તેના અંગરક્ષકને સોંપ્યો હતો. રાજા એલિશાને મળવા ગયો હતો ત્યારે ઈશ્વરભક્ત એલિશાએ ભવિષ્ય ભાખ્યું હતું તેમ એ અંગરક્ષક લોકોના પગ નીચે ચગદાઈને મરણ પામ્યો. ઈશ્વરભક્ત એલિશાએ રાજાને કહ્યું હતું કે આવતી કાલે આ સમયે સારામાં સારા ત્રણ કિલો ઘઉં અને છ કિલો જવ ચાંદીના એક સિક્કાને ભાવે વેચાશે; તો એ અધિકારીએ જવાબ આપ્યો હતો, “પ્રભુ અત્યારે જ આકાશમાંથી વરસાદ વરસાવે તોય એવું બને ખરું?” અને ઈશ્વરભક્ત એલિશાએ જવાબ આપ્યો હતો, “એવું બનેલું તું જોશે, પણ તું એ ખોરાકમાંથી ખાવા પામશે નહિ.” અને તેને તે જ પ્રમાણે થયું. તે નગરને દરવાજે લોકોના પગ નીચે ચગદાઈને મરણ પામ્યો. હવે શૂનેમમાં રહેતી સ્ત્રી, જેના પુત્રને ઈશ્વરભક્ત એલિશાએ સજીવન કર્યો હતો તેને એલિશાએ કહેલું કે પ્રભુ દેશમાં સાત વર્ષ દુકાળ પાડવાના છે અને તેથી તેણે પોતાના કુટુંબ સાથે બીજે રહેવા જતા રહેવું. તે તેની સૂચનાઓ માનીને પોતાના કુટુંબ સાથે સાત વર્ષ માટે પલિસ્તીયામાં રહેવા ગઈ હતી. સાત વર્ષ પૂરાં થયેથી તે ઇઝરાયલ પાછી ફરી અને રાજા પાસે જઈને પોતાનું ઘર અને જમીન પાછાં મળે તે માટે વિનંતી કરી. ત્યાં તેણે જોયું તો ઈશ્વરભક્ત એલિશાનો સેવક ગેહઝી રાજા સાથે વાત કરતો હતો; રાજા એલિશાના ચમત્કારો વિષે જાણવા માગતો હતો. એલિશાએ કેવી રીતે મરેલા છોકરાને સજીવન કર્યો હતો તે વિષે ગેહઝી રાજાને કહેતો હતો ત્યારે જ એ સ્ત્રીએ રાજા સમક્ષ પોતાની દાદ રજૂ કરી. ગેહઝીએ તેને કહ્યું, “હે રાજા, મારા માલિક, આ જ એ સ્ત્રી છે અને આ તેનો પુત્ર છે, જેને એલિશાએ સજીવન કર્યો હતો!” રાજાએ સ્ત્રીને પૂછતાં તેણે બધી વાત કહી સંભળાવી. તેથી રાજાએ અધિકારીને બોલાવીને તેને એ પ્રશ્ર્ન સોંપ્યો ને તેને આવી સૂચના આપી: “આ સ્ત્રીને તેની સઘળી મિલક્ત અને તે દેશ છોડીને ગઈ ત્યારથી આજ દિન સુધી તેના ખેતરોમાં થયેલી ઊપજની સઘળી આવક તેને પાછી અપાવ.” અરામનો રાજા બેનહદાદ બીમાર હતો ત્યારે એલિશા દમાસ્ક્સ ગયો. ઈશ્વરભક્ત એલિશા ત્યાં છે એવી રાજાને ખબર મળી. તેથી તેણે તેના એક અધિકારી હઝાએલને કહ્યું, “ઈશ્વરભક્ત પાસે ભેટ લઈને જા અને હું સાજો થઈશ કે નહિ તે પ્રભુને પૂછી જોવા તેમને કહે.” તેથી દમાસ્ક્સની સર્વ જાતની ઉત્તમ પેદાશ ચાલીસ ઊંટો પર લાદીને હઝાએલ એલિશા પાસે ગયો. હઝાએલે તેને મળીને કહ્યું, “તમારા સેવક અરામના રાજા બેનહદાદે મને તમારી પાસે પૂછવા મોકલ્યો છે તે પોતાની માંદગીમાંથી સાજા થશે કે કેમ?” એલિશાએ જવાબ આપ્યો, “પ્રભુએ તો મને દેખાડયું છે કે તે મરી જશે; પણ તેને જઈને કહે કે તું સાજો થશે.” પછી ઈશ્વરભક્ત એલિશા તેની સામે એકીટશે તાકી રહ્યો, એટલે સુધી કે હઝાએલ અસ્વસ્થ થઈ ગયો. પછી ઈશ્વરભક્ત એલિશા એકાએક ચોધાર આંસુએ રડી પડયો. હઝાએલે પૂછયું, “ગુરુજી, તમે કેમ રડો છો?” એલિશાએ જવાબ આપ્યો, “એટલા માટે કે ઇઝરાયલના લોકો વિરુદ્ધ જે ભયાનક કૃત્યો તું કરવાનો છે તે હું જાણું છું. તું તેમના કિલ્લાઓને આગ લગાડશે, તેમના ઉત્તમ યુવાનોની ક્તલ કરશે, તેમનાં બાળકોને પછાડી નાખશે અને તેમની સગર્ભા સ્ત્રીઓને ચીરી નાખશે.” હઝાએલે કહ્યું, “આ તમારો સેવક તો કૂતરા બરાબર છે; એની શી વિસાત કે તે આવું મોટું કામ કરી શકે?” એલિશાએ જવાબ આપ્યો, “પ્રભુએ મને બતાવ્યું છે કે તું અરામનો રાજા બનશે.” હઝાએલ બેનહદાદ પાસે પાછો ગયો એટલે તેણે પૂછયું, “એલિશાએ શું કહ્યું?” હઝાએલે જવાબ આપ્યો, “તેમણે મને કહ્યું કે તમે જરૂર સાજા થશો.” પણ બીજે દિવસે હઝાએલે કામળો લઈ પાણીમાં ઝબોળ્યો અને તેનાથી રાજાનું મુખ ઢાંકી દઈને તેને ગૂંગળાવીને મારી નાખ્યો. બેનહદાદ પછી તેની જગ્યાએ હઝાએલ અરામનો રાજા બન્યો. આહાબના પુત્ર ઇઝરાયલના રાજા યોરામના અમલના પાંચમા વર્ષમાં યહોશાફાટનો પુત્ર યહોરામ યહૂદિયાનો રાજા બન્યો; તે વખતે તે બત્રીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું. તેની પત્ની આહાબની પુત્રી હતી અને આહાબના કુટુંબની જેમ તેણે ઇઝરાયલના રાજાઓનું અનુસરણ કર્યું અને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. પણ પ્રભુ યહૂદિયાનો નાશ કરવા રાજી નહોતા, કારણ, તેમણે પોતાના સેવક દાવિદને વચન આપ્યું હતું કે તે હરહંમેશ તેના વંશજોને રાજવારસ પૂરો પાડશે. યહોરામના અમલ દરમ્યાન અદોમે યહૂદિયા સામે વિદ્રોહ કરીને પોતાનો આગવો રાજા ઠરાવ્યો. તેથી યહોરામ તેના સર્વ રથો સહિત સાઈર ગયો, જ્યાં અદોમના સૈન્યે તેમને ઘેરી લીધા. યહોરામ તથા તેના સેનાપતિઓ રાત્રે નાસી છૂટયા ને તેના સૈનિકો વિખેરાઈને તેમને ઘેર જતા રહ્યા. ત્યારથી અદોમ યહૂદિયામાંથી સ્વતંત્ર રહ્યું છે. એ જ સમય દરમ્યાન લિબ્ના નગરે પણ બળવો કર્યો. યહોરામનાં બાકીનાં કૃત્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. યહોરામ મરણ પામ્યો અને તેને દાવિદ નગરમાં રાજવી કબરોમાં દાટયો. તેના પછી તેનો પુત્ર અહાઝયા રાજા બન્યો. આહાબના પુત્ર ઇઝરાયલના રાજા યોરામના અમલના બારમા વર્ષમાં યહોરામનો પુત્ર અહાઝયા યહૂદિયાનો રાજા બન્યો. તે સમયે તે બાવીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ અથાલ્યા હતું અને તે આહાબ રાજાની પુત્રી હતી અને ઇઝરાયલના રાજા ઓમ્રીની પૌત્રી હતી. અહાઝયા આહાબ રાજા સાથે લગ્નસંબંધને કારણે સગો થતો હોઈ તેણે આહાબના કુટુંબની જેમ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. રાજા ઈઝરાયલના રાજા યોરામ સાથે લડવા ગિલ્યાદના રામોથમાં ગયો. ત્યાં યોરામ અરામીઓને હાથે ઘવાયો. ગિલ્યાદના રામોથમાં અરામના રાજા હઝાએલ સામેની લડાઈમાં અરામીઓને હાથે થયેલા ઘાથી સાજો થવા યોરામ ઇઝરાયલ પાછો ફર્યો. યોરામ બીમાર હોવાથી યહૂદિયાનો રાજા અહાઝયા યોરામને મળવા યિઝએલ ગયો. દરમ્યાનમાં એલિશા સંદેશવાહકે એક યુવાન સંદેશવાહકને બોલાવીને કહ્યું, “તૈયાર થા અને ગિલ્યાદના રામોથમાં જા. તારી સાથે આ ઓલિવ તેલની કૂપી લઈ જા. અને તું ત્યાં જા એટલે નિમ્શીના પૌત્ર અને યહોશાફાટના પુત્ર યેહૂને શોધી કાઢીને તેને તેના સાથીદારોથી દૂર એકાંત ઓરડીમાં લઈ જજે. પછી તેના માથા પર આ ઓલિવ તેલ રેડીને તેને કહેજે કે, “પ્રભુ આમ જાહેર કરે છે: ‘હું તારો અભિષેક કરીને તને ઇઝરાયલનો રાજા જાહેર કરું છું.’ પછી ત્યાંથી બનતી ત્વરાએ નીકળી જજે.” તેથી યુવાન સંદેશવાહક ગિલ્યાદમાંના રામોથ ગયો. ત્યાં તે લશ્કરી અધિકારીઓની બેઠકમાં ગયો. તેણે કહ્યું, “સાહેબ, તમારે માટે હું સંદેશો લાવ્યો છું.” યેહૂએ પૂછયું, “અમારામાંથી તું કોને સંબોધીને બોલે છે?” તેણે જવાબ આપ્યો, “હે સેનાપતિ આપને.” પછી તેઓ બન્‍ને ઓરડીમાં ગયા અને યુવાન સંદેશવાહકે યેહૂના માથા પર ઓલિવતેલ રેડીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ જાહેર કરે છે: ‘મારા ઇઝરાયલી લોક પર રાજા તરીકે હું તારો અભિષેક કરું છું. તારે તારા માલિક આહાબ રાજાના કુટુંબનો સર્વનાશ કરવાનો છે, જેથી મારા સંદેશવાહકો અને મારા અન્ય સેવકોને મારી નાખવા બદલ હું ઇઝબેલને શિક્ષા કરું. આહાબનું આખું કુટુંબ અને વંશજો માર્યા જશે; હું તેના કુટુંબના સગીર કે પુખ્ત સર્વ પુરુષોનું નિકંદન કરીશ. ઇઝરાયલના રાજાઓ નબાટના પુત્ર યરોબામ અને અહિયાના પુત્ર બાશાના કુટુંબોનું મેં જેવું કર્યું તેવું એના કુટુંબનું પણ કરીશ. ઇઝબેલ તો દટાશે પણ નહિ; યિઝએલના ખીણપ્રદેશમાં કૂતરાં તેનું શબ ફાડી ખાશે.” એટલું બોલ્યા પછી યુવાન સંદેશવાહક ઓરડીમાંથી નીકળીને નાસી ગયો. યેહૂ પોતાના સાથી અધિકારીઓ પાસે ગયો એટલે તેમણે તેને પૂછયું, “બધું બરાબર તો છે ને? પેલો પાગલ તમને શું કહેતો હતો?” યેહૂએ જવાબ આપ્યો, “તે પાગલ છે અને શું કહેવા માગતો હતો તેની તો તમને ખબર હશે.” તેમણે જવાબ આપ્યો, “ના, અમને ખબર નથી. તેણે શું કહ્યું તે અમને કહો.” “તેણે મને કહ્યું કે પ્રભુ જાહેર કરે છે: ‘ઇઝરાયલના રાજા તરીકે હું તારો અભિષેક કરું છું.” તરત જ યેહૂના સાથી અધિકારીઓએ યેહૂને ઊભા રહેવાના પગથિયા ઉપર પોતાના ઝભ્ભા બિછાવી દઈ રણશિંગડું વગાડી પોકાર કર્યો, “યેહૂ રાજા છે!” આમ, નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂએ યોરામ રાજા સામે વિદ્રોહ કર્યો. યોરામ અને સર્વ ઇઝરાયલીઓ અરામના રાજા હઝાએલ સામે ગિલ્યાદના રામોથનું રક્ષણ કરતા હતા. યુદ્ધમાં ઘવાયો હોવાથી યોરામ તે વખતે યિઝએલમાં હતો. તેથી યેહૂએ પોતાના સાથી અધિકારીઓને કહ્યું, “તમે મને રાજા બનાવવા રાજી હો તો રામોથમાંથી છટકીને જઈને કોઈ યિઝએલના લોકોને ચેતવી ન દે તેની ખાતરી રાખો.” *** પછી તે પોતાના રથમાં બેસી યિઝએલ જવા ઉપડયો. યોરામ હજુ સાજો થયો નહોતો અને યહૂદિયાનો રાજા આહાઝયા ત્યાં તેની મુલાકાતે આવેલો હતો. યિઝએલમાં ચોકીના બુરજ પર ફરજ બજાવતા સંરક્ષકે યેહૂ અને તેના માણસોને આવતા જોયા. તેણે બૂમ પાડી, “હું કેટલાક માણસોને સવારી કરી આવતા જોઉં છું.” યોરામે જવાબ આપ્યો, “એક ઘોડેસ્વાર મોકલીને તપાસ કરાવો કે તેઓ સુલેહશાંતિથી આવે છે?” ઘોડેસ્વારે યેહૂ પાસે જઈને તેને પૂછયું, “રાજા પૂછાવે છે કે તમે સુલેહશાંતિથી આવો છો?” યેહૂએ જવાબ આપ્યો, “તારે સુલેહશાંતિનું શું કામ છે? તું મારી પાછળ જોડાઈ જા.” ચોકીના બુરજ પરના સંરક્ષકે જણાવ્યું કે સંદેશક ટુકડી પાસે પહોંચી ગયો છે. પણ પાછો ફરતો નથી. બીજો એક સંદેશક મોકલવામાં આવ્યો અને તેણે પણ યેહૂને એ જ પ્રશ્ર્ન પૂછયો. યેહૂએ ફરી એ જ જવાબ આપ્યો, “તારે સુલેહશાંતિનું શું કામ છે? મારી પાછળ જોડાઈ જા.” સંરક્ષકે ફરી જાણ કરી કે સંદેશક ટુકડી પાસે પહોંચ્યો છે, પણ પાછો ફરતો નથી. વળી તેણે કહ્યું, “ટુકડીનો આગેવાન નિમ્શીનો પૌત્ર યેહૂ ગાંડોતૂર બનીને રથ હાંકી રહ્યો છે.” યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.” એ તૈયાર થયો, એટલે તે તથા અહાઝયા પોતપોતાના રથમાં યેહૂને મળવા નીકળી પડયા. તેઓ તેને યિઝએલી નાબોથની જમીન પાસે મળ્યા. યોરામે પૂછયું, “તમે સુલેહશાંતિથી આવ્યા છો?” યેહૂએ જવાબ આપ્યો, “તારી મા ઇઝબેલે ચાલુ કરેલ જાદુવિદ્યા અને મૂર્તિપૂજા ચાલુ હોય ત્યાં સુધી શાંતિ ક્યાંથી હોય.” “અહાઝયા, આ તો દગો છે!” એમ બૂમ પાડી યોરામ પોતાનો રથ વાળીને ભાગી છૂટયો. યેહૂએ પોતાનું ધનુષ્ય ઉપાડયું અને પોતાના પૂરા બળથી એક બાણ માર્યું, જે યોરામની પીઠમાં વાગી તેના દયને વીંધી નાખ્યું. યોરામ રથમાં જ ઢળી પડી મરણ પામ્યો. યેહૂએ પોતાના મદદનીશ બિદકારને કહ્યું, “તેનું શબ ઉઠાવીને યિઝએલી નાબોથની જમીનમાં ફેંકી દે. યોરામના પિતા આહાબની પાછળ પાછળ હું અને તું સવારી કરતા હતા ત્યારે પ્રભુએ આહાબ વિરુદ્ધ જે શબ્દો કહ્યા હતા તે યાદ કર: ‘મેં ગઈકાલે નાબોથ અને તેના પુત્રોનાં ખૂન થયેલાં જોયાં છે મારું વચન છે કે હું તને આ જ ખેતરમાં શિક્ષા કરીશ.’ તેથી યોરામનું શબ ઉઠાવી લે, અને યિભએલી નાબોથની જમીનમાં ફેંકી દે, અને પ્રભુનું વચન પૂર્ણ કર.” જે બન્યું તે જોઈને અહાઝયા રાજા બેથ-હાગ્ગાન નગર તરફ પોતાના રથમાં નાસી છૂટયો. યેહૂએ તેનો પણ પીછો કર્યો. યેહૂએ પોતાના માણસોને હુકમ કર્યો, “એને પણ મારી નાખો.” તેથી તેના માણસોએ યિબ્લામ નગર નજીક ગૂરના રસ્તે અહાઝયા રથ હાંકી રહ્યો હતો ત્યારે જ તેને ઘાયલ કર્યો. છતાં ગમે તેમ કરીને તે મગિદ્દો નગર સુધી પહોંચ્યો અને ત્યાં મરણ પામ્યો. તેના અમલદારો તેનું શબ રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા અને તેને દાવિદનગરમાં રાજવી કબરોમાં દાટયો. ઇઝરાયલનો રાજા, એટલે આહાબના પુત્ર યોરામના રાજયકાળના અગિયારમે વર્ષે અહાઝયા યહૂદિયાનો રાજા થયો હતો. યેહૂ યિઝ્રએલ આવી પહોંચ્યો. જે બન્યું હતું તેની ખબર પડતાં ઇઝબેલે આંખોમાં ક્જળ આંજયું. વાળ ઓળ્યા અને મહેલની બારીમાંથી નીચે જોઈ રહી હતી. યેહૂ દરવાજામાં પ્રવેશ્યો એટલે તે બોલી ઊઠી, “ઓ ઝિમ્રી, તારા રાજાનો ખૂની! તું શાંતિના ઇરાદે આવ્યો છે?” યેહૂએ ઊંચે જોઈ બૂમ પાડી, “મારા પક્ષે કોણ કોણ છે?” મહેલના બે ત્રણ અધિકારીઓએ બારીમાંથી તેની સામે જોયું, એટલે યેહૂએ તેમને કહ્યું, “તેને નીચે ફેંકી દો!” તેમણે તેને નીચે ફેંકી દીધી, અને તેનું લોહી દીવાલ પર અને ઘોડાઓ પર છંટાઈ ગયું. યેહૂએ તેને પોતાના ઘોડા અને રથ નીચે કચડી નાખી. મહેલમાં પ્રવેશી તેણે ભોજન લીધું. પછી તેણે કહ્યું, “પેલી દુષ્ટ સ્ત્રીને લઈ જઈને દફનાવો; છેવટે તો તે રાજાની પુત્રી છે.” પણ તેને દાટવા લઈ જનાર માણસોએ જઈને જોયું તો તેની ખોપરી અને હાથપગનાં હાડકાં સિવાય કંઈ નહોતું. તેમણે યેહૂને તેની જાણ કરી, તો તે બોલ્યો, “પ્રભુ પોતાના સેવક તિશ્બે નગરના એલિયા મારફતે બોલ્યા ત્યારે તેમણે આવું બનશે એવું કહ્યું હતું: ‘યિઝએલના ખીણપ્રદેશમાં કૂતરાં ઇઝબેલનું શબ ફાડી ખાશે. છાણની માફક તેના અવશેષો વિખેરાઈ જશે અને કોઈ તેને ઓળખી પણ નહિ શકે કે તે ઇઝબેલ છે.” સમરૂન નગરમાં આહાબ રાજાના સિત્તેર વંશજો રહેતા હતા. યેહૂએ પત્ર લખીને તેની નકલો યિઝએલ નગરના અધિકારીઓ, અગ્રણી નાગરિકો અને આહાબના વંશજોના વાલીઓ પર મોકલી. પત્રમાં લખ્યું હતું: “રાજાના વંશજો તમારા હસ્તક છે અને તમારી પાસે રથો, ઘોડા, શસ્ત્રસરંજામ અને કિલ્લેબંધીવાળાં નગરો છે. તેથી આ પત્ર મળ્યેથી રાજાના વંશજોમાંથી સૌથી ઉચ્ચ લાયક્ત ધરાવનારને પસંદ કરી તેને રાજા બનાવો અને તેનું રક્ષણ કરવા લડો.” સમરૂનના અધિકારીઓએ ગભરાઈ જઈને કહ્યું, “યોરામ રાજા કે અહાઝયા યેહૂનો સામનો ન કરી શક્યા, તો આપણે કેવી રીતે તેનો સામનો કરી શકવાના છીએ?” તેથી રાજમહેલના અધિકારીઓ અને નગરના સંરક્ષકોએ, અગ્રગણ્ય નાગરિકો અને વાલીઓએ મંત્રણા કરીને યેહૂ પર આ સંદેશો મોકલ્યો: “અમે તમારા સેવકો છીએ અને તમે કહો તે કરવા તૈયાર છીએ. અમે તો કોઈને રાજા બનાવવાના નથી; તમને યોગ્ય લાગે તેમ કરો.” યેહૂએ તેમના પર બીજો પત્ર લખ્યો: “તમે મારા પક્ષમાં હો અને મારું માનવા તૈયાર હો તો કાલે આ સમય સુધીમાં આહાબના રાજવંશજોનાં માથાં મારી પાસે યિઝએલ લઈ આવો.” આહાબ રાજાના સિત્તેર વંશજો સમરૂનના અગ્રગણ્ય નાગરિકોના હવાલામાં હતા અને તેઓ તેમનો ઉછેર કરી રહ્યા હતા. યેહૂનો પત્ર મળ્યો એટલે સમરૂનના આગેવાનોએ આહાબના સિત્તેરેય વંશજોને મારી નાખ્યા અને તેમનાં માથાં ટોપલીઓમાં મૂકી તેમને યેહૂ પાસે યિઝએલ મોકલ્યાં. આહાબના વંશજોનાં માથાં લાવવામાં આવ્યાં છે એવી ખબર મળતાં યેહૂએ નગરના દરવાજે તેમના બે ઢગલા ગોઠવી બીજી સવાર સુધી રાખી મૂકવા હુકમ આપ્યો. સવારમાં યેહૂ નગરને દરવાજે ગયો અને ત્યાં લોકોને કહ્યું, “યોરામ રાજા સામે વિદ્રોહ કરીને તેને મારી નાખનાર હું છું; એ માટે તમે જવાબદાર નથી. પણ આમને કોણે મારી નાખ્યા? આથી સાબિત થાય છે કે આહાબના વંશજો વિષે પ્રભુએ જે કહ્યું છે તે બધું તે નક્કી સાચું પાડશે. કારણ, પ્રભુ પોતાના સંદેશવાહક એલિયા મારફતે જે બોલ્યા હતા તે તેમણે પૂરું કર્યું છે.” પછી યેહૂએ યિઝએલમાં રહેતા આહાબના બધા સંબંધીઓ, તેના સર્વ અમલદારો, તેના નિકટના મિત્રો અને યજ્ઞકારોને મારી નાખ્યા; એમનામાંથી કોઈને ય જીવતો રહેવા દીધો નહિ. યેહૂ યિઝએલથી સમરૂન ગયો. રસ્તે જતાં ભરવાડોના પડાવ બેથ-એકેદમાં તેને યહૂદિયાના રાજા અહાઝયાના કેટલાક સંબંધીઓ મળ્યા. તેણે તેમને પૂછયું, “તમે કોણ છો?” તેમણે જવાબ આપ્યો, “અમે અહાઝયાના સગાસંબંધીઓ છીએ અને ઇઝબેલ રાણીનાં સંતાનો અને બાકીના રાજકુટુંબને શુભેચ્છા પાઠવવા યિઝએલ જઈએ છીએ.” યેહૂએ તેના માણસોને હુકમ કર્યો, “તેમને જીવતા જ પકડો!” તેમણે તેમને પકડયા અને ત્યાં બેથ-એકેદમાં એક ટાંકા પાસે તેમને મારી નાખ્યા. તેઓ સઘળા મળીને બેંતાળીસ હતા, અને તેમાંનું એકેય જીવતું રહ્યું નહિ. યેહૂ ફરીથી ઉપડયો અને રસ્તે તેને રેખાબનો પુત્ર યહોનાદાબ મળ્યો. યેહૂએ તેને સલામ પાઠવીને કહ્યું, “જેમ મારું હૃદય તારા પ્રત્યે નિખાલસ છે તેમ તારું હૃદય મારા પ્રત્યે નિખાલસ છે?” યહોનાદાબે જવાબ આપ્યો, “હા, છે.” યેહૂએ જવાબ આપ્યો, “તો પછી, તારો હાથ મારા તરફ લંબાવ. તેમણે એકબીજા સાથે હાથ મિલાવ્યા. યેહૂએ તેને રથમાં બેસાડી લીધો. તેણે કહ્યું, “આવીને જો કે હું પ્રભુ પ્રત્યે કેવો નિષ્ઠાવાન છું.” એટલે તેઓ બન્‍ને સવારી કરીને સમરૂનમાં ગયા. ત્યાં પહોંચ્યા એટલે યેહૂએ આહાબના બાકીના બધા સંબંધીઓને મારી નાખ્યા અને કોઈને જવા દીધો નહિ. પ્રભુએ એલિયા દ્વારા જે કહ્યું હતું તે તેમ પૂરું થયું. યેહૂએ સમરૂનના લોકોને એકઠા કરી તેમને કહ્યું, “આહાબ રાજા તો બઆલની થોડી સેવા કરતો હતો. પણ હું તો તેની ઘણી સેવા કરીશ. બઆલના સર્વ સંદેશવાહકો, તેના સર્વ ઉપાસકો અને તેના સર્વ યજ્ઞકારોને એકઠા કરો. કોઈ રહી જાય નહિ, હું બઆલને મોટું બલિદાન ચઢાવવાનો છું અને જે કોઈ હાજર નહિ રહે તે માર્યો જશે.” (આ તો યેહૂની યુક્તિ હતી. એ દ્વારા તે બઆલના બધા ઉપાસકોને મારી નાખવા માગતો હતો.) પછી યેહૂએ હુકમ કર્યો, “બઆલના માનમાં ઉપાસના માટે સંમેલન ભરો.” તેથી ઢંઢેરો પિટાવવામાં આવ્યો, વળી, યેહૂએ આખા ઇઝરાયલ દેશમાં સંદેશો મોકલ્યો. બઆલના બધા ઉપાસકો આવ્યા, અને કોઈ આવ્યા વિના બાકી રહ્યો નહિ. તેઓ સૌ બઆલના મંદિરમાં ગયા અને તેથી મંદિર એક છેડાથી બીજા છેડા સુધી ખીચોખીચ ભરાઈ ગયું. પછી યેહૂએ પવિત્ર ઝભ્ભાઓનો હવાલો સંભાળનાર યજ્ઞકારને ઝભ્ભા બહાર લાવી ઉપાસકોને આપવા કહ્યું. તેથી યેહૂ પોતે રેખાબના પુત્ર યહોનાદાબ સાથે મંદિરમાં ગયો અને ત્યાંના લોકોને કહ્યું, “ચોક્સાઈ કરો કે અહીં માત્ર બઆલના જ ઉપાસકો હાજર છે, અને પ્રભુનો કોઈ ઉપાસક અંદર આવ્યો નથી.” પછી તે તથા યહોનાદાબ બઆલને અર્પણો અને દહનબલિ ચઢાવવા મંદિરમાં ગયા. મંદિર બહાર તેણે એંસી માણસો ઊભા રાખ્યા હતા. તેણે તેમને સૂચના આપી હતી.” “તમારે આ બધા લોકોને મારી નાખવાના છે; જે કોઈ એમાંના કોઈને પણ છટકી દેવા જશે તો તે માટે તેણે પોતાના જીવની કિંમત ચૂકવવી પડશે.” યેહૂએ જેવું અર્પણ ચઢાવ્યું કે તેણે સંરક્ષકો અને અધિકારીઓને કહ્યું, “જાઓ અંદર જઈને બધાંને મારી નાખો; કોઈ છટકીને નાસી જાય નહિ.” તેમણે તાણેલી તલવારો સાથે અંદર જઈને સૌને મારી નાખ્યા અને તેમનાં શરીર બહાર ખેંચી કાઢયાં. પછી તેઓ મંદિરના ગર્ભગૃહમાં ગયા. અને ત્યાં જે પવિત્ર સ્તંભ હતો તેને બહાર લાવી બાળી નાખ્યો. એમ તેમણે પવિત્ર સ્તંભ અને મંદિરનો નાશ કર્યો અને તેને સંડાસ બનાવી દીધું; જે આજ સુધી એમ જ છે. એ રીતે યેહૂએ ઇઝરાયલમાંથી બઆલની ઉપાસના ભૂંસી નાખી. છતાં તે ઇઝરાયલીઓને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના પાપાચારને અનુસર્યો; યરોબામે બેથેલ અને દાનમાં સ્થાપેલા સોનાના વાછરડાની પૂજા તેણે ચાલુ રહેવા દીધી. પ્રભુએ યેહૂને કહ્યું, “મારી દૃષ્ટિએ યોગ્ય છે તેનો અમલ કરીને તેં મારા મનની ઇચ્છા પ્રમાણે આહાબના રાજકુટુંબનો ઉચ્છેદ કર્યો હોઈ તારી ચોથી પેઢી સુધીના તારા વંશજો ઇઝરાયલમાં રાજા બનશે.” પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નિયમશાસ્ત્રનું પોતાના હૃદયની પૂરી નિષ્ઠાથી પાલન કર્યું નહિ; એને બદલે, તેણે ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર યરોબામના પાપાચારનું અનુસરણ કરવાનું જારી રાખ્યું. એ વખતે પ્રભુએ ઇઝરાયલના પ્રદેશનો વિસ્તાર ઘટાડવા માંડયો. અરામના રાજા હઝાએલે યર્દનની પૂર્વગમનો ઇઝરાયલનો બધો પ્રદેશ એટલે દક્ષિણ તરફ આર્નોન નદી પરના છેક અરોએર નગર સુધીનો પ્રદેશ જીતી લીધો. એમાં જ્યાં ગાદ, રેઉબેન અને પૂર્વ મનાશ્શાનાં કુળો રહેતાં હતાં એ ગિલ્યાદ અને બાશાનના પ્રદેશોનો સમાવેશ થતો હતો. યેહૂનાં બાકીનાં કાર્યો તથા તેનાં પરાક્રમો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે. તે મરણ પામ્યો અને તેને સમરૂનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યહોઆહાઝ રાજા બન્યો. યેહૂએ ઇઝરાયલના રાજા તરીકે સમરૂનમાં અઠ્ઠાવીસ વર્ષ રાજ કર્યું. અહાઝયા રાજાની માતા અથાલ્યાએ તેના પુત્રના ખૂનના સમાચાર સાંભળ્યા કે તેણે રાજકુટુંબના બધા વંશજોને મારી નાખવાનો હુકમ કર્યો. માત્ર અહાઝયાનો પુત્ર યોઆશ જ બચી ગયો. બીજાઓ સાથે તે પણ માર્યો ગયો હોત, પણ યહોરામ રાજાની પુત્રી એટલે, અહાઝયાની બહેન યહોશેબાએ તેને બચાવી લીધો. તેણે તેને અને તેની ધાવને પ્રભુના મંદિરમાં લઈ જઈ ત્યાં એક શયનખંડમાં તેને અથાલ્યાથી સંતાડી દીધો, જેથી તે માર્યો ગયો નહિ. છ વર્ષ સુધી યહોશેબાએ છોકરાની સારસંભાળ લીધી અને તેને મંદિરમાં સંતાડી રાખ્યો. એ વખતે અથાલ્યા રાણી રાજ કરતી હતી. પણ સાતમે વર્ષે યહોયાદા યજ્ઞકારે રાજવી અંગરક્ષકોના અધિકારીઓ અને રાજમહેલના સંરક્ષકોના અધિકારીઓને આમંત્રણ પાઠવી પ્રભુના મંદિરમાં બોલાવ્યા અને પોતાની યોજના અન્વયે તેણે તેમની સોગંદપૂર્વક સંમતિ લીધી. તેણે તેમને રાજા અહાઝયાનો પુત્ર યોઆશ બતાવ્યો. અને તેમને આવો હુકમ આપ્યો, “તમે સાબ્બાથદિને ફરજ પર આવો, ત્યારે તમારામાંથી ત્રીજા ભાગનાએ રાજમહેલની ચોકી કરવી, અન્ય ત્રીજા ભાગનાએ સૂર દરવાજે રક્ષણ માટે ઊભા રહેવું અને બાકીના ત્રીજા ભાગનાએ દરવાજે બીજા સંરક્ષકોની પાછળની હરોળમાં રહેવું. સાબ્બાથના દિવસે ફરજ પરથી મુક્ત થતી બે ટુકડીઓએ રાજાનું રક્ષણ કરવા પ્રભુના મંદિરમાં ચોકી પહેરો ભરવાનો છે. તમારે શસ્ત્રસજ્જ થઈને યોઆશ રાજાનું ખુલ્લી તલવારે રક્ષણ કરવાનું છે અને તે જ્યાં જાય ત્યાં તેની સાથે રહેવાનું છે. જે કોઈ તમારી સંરક્ષણ હરોળ તોડવા પાસે આવે, તેને તમારે મારી નાખવો.” શતાધિપતિઓએ યહોયાદાની સૂચનાનું પૂરેપૂરું પાલન કર્યું. તેઓ સાબ્બાથ દિને ફરજ પરથી ઊતરતા અને ફરજ પર ચઢતા તેમના માણસોને લઈને યહોયાદા પાસે આવ્યા. યહોયાદા યજ્ઞકારે એ શતાધિપતિઓને પ્રભુના મંદિરમાં રાખવામાં આવેલાં દાવિદ રાજાના ભાલા અને ઢાલો આપ્યાં. તેણે એ સંરક્ષકોને મંદિરની દક્ષિણ બાજુથી ઉત્તર બાજુ સુધી યજ્ઞવેદીને અને મંદિરને ઘેરીને રાજાનું રક્ષણ કરવા ગોઠવી દીધા. પછી યહોયાદા યોઆશને બહાર લઈ આવ્યો, તેના માથા પર મુગટ મૂક્યો અને તેને રાજપદ અંગેના નિયમોની નકલ આપી. પછી યોઆશનો અભિષેક કરી તેને રાજા તરીકે જાહેર કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા અમર રહો!” સંરક્ષકો અને લોકોનો કોલાહલ સાંભળી રાણી અથાલ્યા લોકો જ્યાં એકત્ર થયા હતા ત્યાં પ્રભુના મંદિરે પહોંચી ગઈ. પ્રણાલિકા પ્રમાણે મંદિરના પ્રવેશદ્વારે સ્તંભ પાસે તેણે નવા રાજાને ઊભેલો જોયો. અધિકારીઓ અને રણશિંગા ફૂંકનારા રાજાની ચારે બાજુ ઊભા હતા અને લોકો હર્ષના પોકાર કરતા હતા અને રણશિંગાં વગાડતા હતા. અથાલ્યાએ દુ:ખમાં પોતાનાં વસ્ત્ર ફાડી મોટે અવાજે બોલી ઊઠી, “દગો! દગો!” યહોયાદા અથાલ્યાને પ્રભુના મંદિરના વિસ્તારમાં મારી નાખવા માગતો નહોતો, તેથી તેણે શતાધિપતિઓને હુકમ કર્યો, “તેને સંરક્ષકોની બે હારમાં થઈને બહાર લઈ જાઓ, અને જે કોઈ તેને બચાવવાનો પ્રયાસ કરે તેને મારી નાખો.” આમ તેઓ તેને માટે રસ્તો કરીને તેને પકડીને રાજમહેલે લઈ ગયા અને ત્યાં અશ્વદરવાજે તેને મારી નાખી. યહોયાદા યજ્ઞકારે યોઆશ રાજા અને લોકોની પાસે પ્રભુની સાથે કરાર કરાવ્યો કે તેઓ પ્રભુના જ લોકો બની રહેશે; તેણે રાજા અને લોકો વચ્ચે પણ કરાર કરાવ્યો. પછી લોકોએ બઆલના મંદિરે જઈને તેને તોડી નાખ્યું; તેમણે વેદીઓ અને મૂર્તિઓના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા અને વેદીઓ આગળ બઆલના યજ્ઞકાર માત્તાનને મારી નાખ્યો. યહોયાદાએ પ્રભુના મંદિર પર સંરક્ષકોની ચોકી મૂકી, પછી તે તથા અધિકારીઓ, રાજાના અંગરક્ષકો અને રાજમહેલના સંરક્ષકો રાજાને પ્રભુના મંદિરમાંથી મહેલમાં લઈ ગયા. સર્વ લોકો તેમની પાછળ પાછળ ગયા, યોઆશ સંરક્ષક દરવાજેથી પ્રવેશ્યો અને રાજ્યાસન પર બિરાજ્યો. બધા લોકો ખુશખુશાલ થઈ ગયા અને રાજમહેલમાં અથાલ્યાને મારી નાખવામાં આવી હતી તેથી શહેરમાં શાંતિ પ્રવર્તતી હતી. યોઆશ સાત વર્ષની ઉંમરે યહૂદિયાનો રાજા બન્યો. ઇઝરાયલના રાજા યેહૂના અમલના સાતમા વર્ષમાં, યોઆશ યહૂદિયાનો રાજા બન્યો, અને તેણે યરુશાલેમમાં ચાલીસ વર્ષ રાજ કર્યું. તેની માતા ઝિબિયા બેરશેબા નગરની હતી. યહોયાદા યજ્ઞકારની દોરવણી હોવાથી તેણે પોતાના આખાયે જીવન દરમ્યાન પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું છતાં પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કરાયો નહિ, અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલુ રાખ્યું. યોઆશે યજ્ઞકારોને કહ્યું, “પ્રભુના મંદિરમાં લાવવામાં આવતાં પવિત્ર અર્પણોની રકમ, માથાદીઠ નિયત કરવામાં આવેલ મુક્તિમૂલ્યની રકમ અને પ્રભુના ઘરમાં માનતા પેટે લાવેલ સ્વૈચ્છિક અર્પણોની રકમ તમારે ઉઘરાવી લેવી. પ્રત્યેક યજ્ઞકારે તેમની સેવામાં સંબંધિત વ્યક્તિ પાસેથી એ રકમ લેવી અને પ્રભુના મંદિરમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં મરામત માટે એ રકમ વાપરવી.” પણ યોઆશના અમલના ત્રેવીસમા વર્ષ સુધી યજ્ઞકારોએ પ્રભુના મંદિરનું કંઈ સમારકામ કર્યું નહોતું તેથી યોઆશે યહોયાદા અને બીજા યજ્ઞકારોને બોલાવીને તેમને પૂછયું, “તમે પ્રભુના મંદિરનું સમારકામ કેમ નથી કરાવતા? હવે આજથી તમારે તમને સેવામાં સંબંધિત વ્યક્તિ પાસેથી જે રકમ મળે છે તે તમારે રાખવાની નથી, પણ મરામત પેટે આપી દેવાની છે.” યજ્ઞકારો લોકો પાસેથી પૈસા ન ઉઘરાવવા તેમ જ પ્રભુના મંદિરના સમારકામની જવાબદારી પોતાને હસ્તક ન રાખવા સંમત થયા. પછી યહોયાદાએ એક પેટી લીધી અને તેના ઢાંકણામાં છેદ પાડીને તેને પ્રભુના મંદિરમાં પ્રવેશતાં જમણી તરફ વેદી પાસે મૂકી. પ્રવેશદ્વારે સંરક્ષણ સેવા બજાવતા યજ્ઞકારો ભજનિકોએ આપેલાં બધાં નાણાં એ પેટીમાં નાખતા. પેટીમાં પુષ્કળ નાણાં એકત્ર થાય એટલે રાજમંત્રી અને પ્રમુખ યજ્ઞકાર આવીને ચાંદીના સિક્કાનું વજન કરીને ગણી લેતા. અને એ પ્રમાણે તેની પોટલીઓ બાંધીને પ્રભુના મંદિરના મરામતના કામ માટે જવાબદાર માણસોને આપી દેતા. અને તેઓ તેમાંથી પ્રભુના મંદિરની મરામત કરનાર સુથારોને, બાંધકામના કારીગરોને, કડિયાઓને તથા સલાટોને ચૂકવણું કરતા. વળી, સમારકામ માટે જોઈતાં ઈમારતી લાકડાં અને પથ્થરોની ખરીદી અને બીજા ખર્ચ પેટે બધા પૈસા ચૂકવતા. એમાંથી એકપણ પૈસો ચાંદીના પ્યાલા, કટોરા, રણશિંગડાં, દીવા સમારવાનાં સાધનો અથવા સોનાચાંદીનાં કોઈ પાત્ર પાછળ વાપરતા નહિ. માત્ર કારીગરોને વેતન ચૂકવવામાં અને સમારકામ માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવામાં જ એનો ઉપયોગ થતો. સમારકામ માટે જવાબદાર માણસો પૂરેપૂરા પ્રામાણિક હતા; જેથી તેમની પાસેથી હિસાબ પણ માગતા નહિ. દોષ નિવારણબલિ અને પ્રાયશ્ર્વિતબલિ માટે આવતા પૈસા પેટીમાં નાખવામાં આવતા નહિ; એ યજ્ઞકારો માટે હતા. એ વખતે અરામના રાજા હઝાએલે ગાથ નગર પર હુમલો કરી તેને જીતી લીધું અને યરુશાલેમ પર પણ હુમલો કરવાની તૈયારી કરવા લાગ્યો. યહૂદિયાના રાજા યોઆશે તેના પુરોગામી રાજાઓ યહોશાફાટ, યહોરામ, અને અહાઝયાએ પ્રભુને સમર્પિત કરેલાં સર્વ અર્પણો, વળી, તેણે પોતે આપેલાં સર્વ અર્પણો અને પ્રભુના મંદિરના તથા મહેલના ખજાનામાંથી સઘળું સોનું લઈને અરામના રાજા હઝાએલ પર ભેટ મોકલી. તેથી તે યરુશાલેમ પરથી પોતાનું સૈન્ય લઈ જતો રહ્યો. યોઆશનાં બાકીનાં કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે. યોઆશ રાજાના અમલદારોએ તેની વિરુદ્ધ કાવતરું કર્યું, અને તેઓમાંથી બે જણે એટલે, શિમીથના પુત્ર યોઝાખારે અને શોમેરેના પુત્ર યહોઝાબાદે તેને સિલ્લા જવાને રસ્તે, યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરી તે પર બાંધેલા ઘરમાં તેને મારી નાખ્યો. યોઆશને દાવિદ- નગરમાં રાજવી કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો અને તેના પછી તેનો પુત્ર અમાસ્યા રાજા બન્યો. યહૂદિયાના રાજા એટલે અહાઝયાના પુત્ર યોઆશના અમલના ત્રેવીસમા વર્ષમાં યેહૂનો પુત્ર યહોઆહાઝ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં સત્તર વર્ષ રાજ કર્યું. તેણે પ્રભુની નજરમાં ધૃણાસ્પદ એવું આચરણ કર્યું. ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર તેના પુરોગામી રાજા, એટલે નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું તેણે અનુકરણ કર્યું અને એ પાપનો ત્યાગ કર્યો નહિ. તેથી પ્રભુ ઇઝરાયલ પર કોપાયમાન થયા અને અરામના રાજા હઝાએલ અને તેના પુત્ર બેનહદાદ આગળ ઇઝરાયલને અવારનવાર હાર ખવડાવી. પછી યહોઆહાઝે પ્રભુને પ્રાર્થના કરી, અને અરામનો રાજા ઇઝરાયલીઓ પર કેવો ક્રૂર જુલમ કરતો હતો તે જોઈને પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી. પ્રભુએ ઇઝરાયલમાં એક આગેવાન ઊભો કર્યો જેણે તેમને અરામીઓના હાથમાંથી છોડાવ્યા, અને એમ ઇઝરાયલીઓ અગાઉની જેમ પોતપોતાના તંબૂમાં શાંતિથી રહેવા લાગ્યા. તેમ છતાં ઇઝરાયલીઓએ યરોબામના રાજકુટુંબે ઇઝરાયલ પાસે જે પાપકર્મો કરાવ્યાં તેનો ત્યાગ નહિ કરતાં તે ચાલુ રાખ્યાં અને સમરૂનમાં અશેરા દેવીની પ્રતિમા પણ મોજૂદ હતી. યહોઆહાઝના સૈન્યમાં માત્ર પચાસ ઘોડેસ્વાર, દસ રથો, અને દસ હજાર પાયદળ બાકી રહ્યાં હતાં; કારણ, અરામના રાજાએ બાકીનાં દળોને ખળાની ધૂળની જેમ રગદોળી નાખી તેમનો કચ્ચરઘાણ વાળ્યો હતો. યહોઆહાઝનાં અન્ય કાર્યો, તેની સિદ્ધિઓ અને પરાક્રમો ઇઝરાયલના રાજાઓના કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં છે. તે મરણ પામ્યો અને તેને સમરૂનમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યહોઆશ રાજા બન્યો. યહૂદિયાના રાજા યોઆશના અમલના સાડત્રીસમા વર્ષમાં યહોઆહાઝનો પુત્ર યહોઆશ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં સોળ વર્ષ રાજ કર્યું. તેણે પણ પ્રભુની વિરુદ્ધ પાપ કર્યું અને ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં પાડનાર યરોબામ રાજાના સર્વ દુરાચારનું અનુકરણ કર્યું. યહોઆશનાં બાકીનાં કામ અને યહૂદિયાના રાજા અમાસ્યા વિરુદ્ધની લડાઈમાં તેણે દાખવેલ શૌર્યની વિગતો ઈઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલી છે. યહોઆશ મરણ પામ્યો અને તેને સમરૂનમાં રાજવી કબરોમાં દફનાવ્યો, અને તેના પછી તેનો પુત્ર યરોબામ બીજો રાજા બન્યો. સંદેશવાહક એલિશા મરણતોલ માંદો પડયો, અને તે મરવા પડયો હતો ત્યારે ઇઝરાયલનો રાજા યોઆશ તેની મુલાકાતે ગયો. તે રડતાં રડતાં બોલી ઊઠયો, “મારા પિતા, મારા પિતા, તમે તો રથો અને ઘોડેસ્વારોની સમાન ઇઝરાયલનું રક્ષણ કરનાર છો!” એલિશાએ તેને આજ્ઞા કરી. “એક ધનુષ્ય અને થોડાંક બાણ લે.” યોઆશે તે હાથમાં લીધાં. પછી એલિશાએ તેને કહ્યું “પણછ પર બાણ ચઢાવ.” રાજાએ એમ કર્યું, અને એલિશાએ પોતાના હાથ રાજાના હાથ પર મૂક્યા. પછી સંદેશવાહકે કહ્યું, “પૂર્વ તરફની બારી ઉઘાડ.” તેથી રાજાએ અરામ તરફની બારી ઉઘાડી. એલિશાએ કહ્યું, “બાણ માર” રાજાએ બાણ માર્યું કે સંદેશવાહક બોલી ઊઠયો, “એ તો જે વડે તું અરામ પર વિજય મેળવશે તે પ્રભુનું બાણ છે. તું અરામીઓ સાથે એફેકમાં લડીને તેમને હરાવશે.” પછી એલિશાએ રાજાને બીજાં બાણો લઈ તેમને જમીન પર મારવા કહ્યું. રાજા જમીન પર ત્રણ વાર બાણ મારી અટકી ગયો. તેથી ઈશ્વરભક્ત એલિશા ગુસ્સે થઈ ગયો અને તેણે રાજાને કહ્યું, “તારે પાંચથી છ વખત બાણો મારવાં જોઈતાં હતાં. કારણ, ત્યારે તો તેં અરામીઓ પર પૂરો વિજય મેળવ્યો હોત; પણ તું હવે તેમને માત્ર ત્રણ વાર હરાવી શકીશ.” એલિશા મરણ પામ્યો અને તેમણે તેને દફનાવ્યો. દર વર્ષે મોઆબીઓનાં ધાડાં ઇઝરાયલ પર ચઢી આવતાં. એક વાર દફન વખતે એવું એક ધાડું દેખાયું. તેથી લોકો શબને એલિશાની કબરમાં નાખી દઈ નાઠા. શબ એલિશાના હાડકાંને અડકયું કે પેલો માણસ સજીવન થઈ બેઠો થયો. અરામનો રાજા હઝાએલ યહોઆહાઝના સઘળા અમલ દરમ્યાન ઇઝરાયલીઓ પર જુલમ કરતો હતો, પણ પ્રભુ તેમના પ્રત્યે ભલા અને દયાળુ હતા. અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ સાથેના પોતાના કરારને લીધે પ્રભુએ ઇઝરાયલીઓ પ્રત્યે સદ્ભાવના દાખવીને તેમણે તેમનો નાશ કર્યો નહિ કે તેમને વીસરી ગયા નહિ. અરામના રાજા હઝાએલના મરણ પછી તેનો પુત્ર બેનહદાદ રાજા બન્યો. પછી ઇઝરાયલના રાજા યહોઆશે બેનહદાદને ત્રણ વાર હરાવ્યો અને યહોઆશના પિતા યહોઆહાઝના સમયમાં બેનહદાદે લઈ લીધેલાં નગરો પાછાં કબજે કર્યાં. યહોઆહાઝના પુત્ર ઇઝરાયલના રાજા યહોઆશના અમલના બીજા વર્ષમાં યોઆશનો પુત્ર અમાસ્યા યહૂદિયાનો રાજા બન્યો, ત્યારે તે પચ્ચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યું. તેની માતા યહોઆદ્દીન યરુશાલેમની હતી. તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. છતાં તે પોતાના પૂર્વજ દાવિદ રાજા જેવો નહોતો; એને બદલે, તે તેના પિતા યોઆશની જેમ વર્ત્યો. તેણે પૂજાનાં ઉચ્ચસ્થાનો તોડી પાડયાં નહિ, અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલુ રાખ્યું. રાજ્ય પર પોતાની પકડ મજબૂત થતાં અમાસ્યાએ પોતાના પિતા રાજા યોઆશને મારી નાખનાર અમલદારોની ક્તલ કરી. છતાં તેણે તેમના પુત્રોને મારી નાખ્યા નહિ, પણ મોશેના નિયમશાસ્ત્રમાં આપેલી આજ્ઞાનું પાલન કર્યું: ‘સંતાનોનાં પાપ માટે માબાપ માર્યાં જાય નહિ અને માબાપનાં પાપ માટે સંતાનો માર્યાં જાય નહિ. પોતાનાં પાપ માટે વ્યક્તિ પોતે જ મારી જાય.” અમાસ્યાએ મીઠાની ખીણમાં દસ હજાર અદોમી સૈનિકોને મારી નાખ્યા; તેણે લડાઈમાં સેલા નગર જીતી લઈ તેનું નામ યોકથેલ પાડયું. આજે પણ તેનું એ જ નામ છે. પછી અમાસ્યાએ યેહૂના પુત્ર યરોબામના પુત્ર એટલે ઇઝરાયલના રાજા યહોઆશને તેની સાથે લડવાનો પડકાર ફેંક્તો સંદેશો મોકલ્યો. પણ ઇઝરાયલના રાજા યહોઆશ રાજાએ આવો જવાબ વાળ્યો: “એકવાર લબાનોન પર્વત પરના એક ઝાંખરાએ ગંધતરુ પર સંદેશો મોકલ્યો: ‘મારા પુત્ર સાથે તારી પુત્રીનાં લગ્ન કરાવ.’ એવામાં ત્યાં થઈને જંગલી પ્રાણી પસાર થયું અને તેણે પેલા ઝાંખરાને ચગદી નાખ્યું. હવે અમાસ્યા, તેં અદોમીઓને હરાવ્યા તેથી તું ગર્વિષ્ઠ થયો છે. તારી કીર્તિથી સંતોષ માનીને તારે ઘેર રહે. તારા પર અને તારા લોકો પર આપત્તિ આવે એવી મુશ્કેલી શું કરવા ઊભી કરે છે?” પણ અમાસ્યાએ એ ગણકાર્યું નહિ, તેથી યહોઆશ રાજા પોતાનું સૈન્ય સાબદું કરીને ઉપડયો અને તેઓ યહૂદિયાના બેથશેમેશ આગળ સામસામે ટકરાયા. અમાસ્યાનું સૈન્ય હારી ગયું અને તેના બધા સૈનિકો પોતાને ઘેર નાસી છૂટયા. ઇઝરાયલના રાજા યહોઆશે યહૂદિયાના રાજા એટલે અહાઝયાના પુત્ર યોઆશના પુત્ર અમાસ્યાને કેદ પકડયો. યરુશાલેમ તરફ આગળ વધીને તેણે એફ્રાઇમના દરવાજાથી છેક ખૂણાના દરવાજા સુધી લગભગ બસો મીટર જેટલો નગરકોટ તોડી પાડયો. તેને મળ્યું તેટલું બધું સોનુંચાંદી, પ્રભુના મંદિરની સર્વ સાધનસામગ્રી અને રાજમહેલનો સર્વ ખજાનો લૂંટી લીધો, અને કેટલાકને બાન પકડયા. પછી તે પાછો સમરૂન જતો રહ્યો. યહોઆશનાં બાકીનાં કૃત્યો અને યહૂદિયાના રાજા અમાસ્યા સામેની લડાઈમાં તેણે દાખવેલ શૌર્યની વિગતો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલી છે. યહોઆશ મરણ પામ્યો અને તેને સમરૂનમાં રાજવી કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યરોબામ બીજો રાજા બન્યો. ઇઝરાયલના રાજા યહોઆશ એટલે યહોઆહાઝનો પુત્રના મરણ પછી યહૂદિયાના રાજા અમાસ્યા એટલે યોઆશનો પુત્ર પંદર વર્ષ જીવ્યો. અમાસ્યાનાં બાકીનાં કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. યરુશાલેમમાં અમાસ્યાને મારી નાખવાનું કાવતરું રચાયું હતું, તેથી તે લાખીશ નગરમાં નાસી ગયો, પણ તેના દુશ્મનોએ તેની પાછળ પડી તેને ત્યાં મારી નાખ્યો. તેનું શરીર ઘોડા પર યરુશાલેમ લવાયું અને તેને દાવિદનગરમાં રાજકુટુંબની કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવ્યો. પછી યહૂદિયાના લોકોએ અમાસ્યાના સોળ વર્ષના પુત્ર ઉઝિયાને રાજા બનાવ્યો. ઉઝિયાએ તેના પિતાના મરણ પછી એલાથ પાછું જીતી લઈ તેને ફરી બાંધ્યું. યોઆશના પુત્ર યહૂદિયાના રાજા અમાસ્યાના અમલના પંદરમા વર્ષમાં યહોઆશનો પુત્ર યરોબામ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં એક્તાલીસ વર્ષ રાજ કર્યું. તેણે પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું. નબાટના પુત્ર યરોબામે ઇઝરાયલ પાસે જે પાપકર્મો કરાવ્યાં તેનો તેણે ત્યાગ કર્યો નહિ. ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ પોતાના સેવક એટલે ગાથહેફેરના અમિત્તાઈના પુત્ર યોના સંદેશવાહક દ્વારા ઉચ્ચારેલી વાણી પ્રમાણે યરોબામ બીજાએ ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણમાં મૃત સમુદ્ર સુધીનો ઇઝરાયલનો બધો પ્રદેશ જીતી લીધો. પ્રભુએ ઇઝરાયલની કરુણ દશા જોઈ અને તેમની મદદ કરવા માટે કોઈ પુરુષ નહોતો; પણ પ્રભુનો ઇરાદો ઇઝરાયલનું આકાશ તળેથી નામનિશાન ભૂંસાઈ જાય એ રીતે તેમનું નિકંદન કાઢી નાખવાનો નહોતો. તેમણે તેમને રાજા યરોબામ બીજાના હાથે બચાવ્યા. યરોબામ બીજાનાં અન્ય કાર્યો, તેની સિદ્ધિઓ, તેની લડાઈઓ અને તેણે કેવી રીતે ઇઝરાયલ માટે દમાસ્ક્સ અને હમાથ જીતી લીધાં એ બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલું છે. યરોબામ મરણ પામ્યો અને તેને તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવવામાં આવ્યો, અને તેના પછી તેનો પુત્ર ઝખાર્યા રાજા બન્યો. ઇઝરાયલના રાજા યરોબામ બીજાના અમલના સત્તાવીસમા વર્ષમાં અમાસ્યાનો પુત્ર ઉઝિયા યહૂદિયાનો રાજા બન્યો; ત્યારે તે સોળ વર્ષની વયનો હતો અને તેણે યરુશાલેમમાં બાવન વર્ષ રાજ કર્યું. તેની મા યકોલ્યા યરુશાલેમની હતી. પોતાના પિતાના નમૂનાને અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. પણ પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતો, અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલુ રાખ્યું હતું. પ્રભુએ તેને કોઢના રોગથી શિક્ષા કરી અને તેને તે રોગ જીવનપર્યંત રહ્યો. સર્વ ફરજમાંથી મુક્ત થઈ તે પોતાના ઘરમાં અલગ રહ્યો અને ત્યારે તેનો પુત્ર યોથામ દેશનો વહીવટ ચલાવતો હતો. ઉઝિયાનાં બાકીનાં કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. ઉઝિયા મરણ પામ્યો, અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો. યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના આડત્રીસમા વર્ષમાં યરોબામ બીજાનો પુત્ર ઝખાર્યા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં છ માસ રાજ કર્યું. તેના પોતાના પુરોગામીઓની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ આચરણ કર્યું. ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં પાડનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું તેણે અનુકરણ કર્યું. યાબેશના પુત્ર શાલ્લૂમે કાવતરું ઘડી ઝખાર્યા રાજાને ઇબ્લીમમાં મારી નાખ્યો અને તેની રાજસત્તા પચાવી પાડી. ઝખાર્યાનાં બાકીનાં કામો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. એમ યેહૂની ચોથી પેઢી સુધી તેના વંશજ ઇઝરાયલના રાજ્યાસન પર બેસશે એવું પ્રભુએ તેને આપેલું વચન પૂર્ણ થયું. યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના ઓગણચાલીસમા વર્ષમાં યાબેશનો પુત્ર શાલ્લૂમ ઇઝરાયલનો રાજા બન્યો અને તેણે સમરૂનમાં એક માસ રાજ કર્યું. ગાદીનો પુત્ર મનાહેમ તિર્સાથી સમરૂન ચઢી આવ્યો અને શાલ્લૂમનું ખૂન કરીને તેના પછી રાજા બન્યો. શાલ્લૂમનાં બીજાં કાર્યો અને તેના કાવતરાની વિગતો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલી છે. મનાહેમ તિર્સાથી આવી રહ્યો હતો ત્યારે તેણે માર્ગમાં આવતા તિફસા નગરમાં લૂંટ ચલાવી અને તેના રહેવાસીઓ તથા આસપાસના પ્રદેશના રહેવાસીઓનો સંહાર કર્યો, કારણ, તે નગરે તેની શરણાગતિ સ્વીકારી નહોતી. ત્યાં તેણે સગર્ભા સ્ત્રીઓનાં પેટ પણ ચીરી નાખ્યાં. યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના ઓગણચાલીસમા વર્ષમાં ગાદીનો પુત્ર મનાહેમ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં દસ વર્ષ રાજ કર્યું. તેણે પ્રભુની નજરમાં ઘૃણાજનક એવું આચરણ કર્યું. તેણે ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપોમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનો પોતાના જીવનપર્યંત ત્યાગ કર્યો નહિ. આશ્શૂરના સમ્રાટ પુલે ઉર્ફે તિગ્લાથ પિલેસેરે ઇઝરાયલ પર ચડાઈ કરી અને મનાહેમે તેને ચોત્રીસ હજાર કિલો ચાંદી આપી, એ સારુ કે દેશ પર મનાહેમની સત્તાની પકડ મજબૂત બનાવવા તે તેને ટેકો આપે. મનાહેમે આ ભેટ આપવા માટે ઇઝરાયલના સર્વ ધનિકો પાસેથી બળજબરીપૂર્વક વ્યક્તિદીઠ ચાંદીના પચાસ સિક્કાનો કર લીધો હતો. આમ, તિગ્લાથ પિલેસેર ત્યાં નહિ રોકાતાં પોતાના દેશમાં પાછો જતો રહ્યો. મનાહેમનાં અન્ય કાર્યો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. તે મરણ પામ્યો અને તેમણે તેને દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર પક્હ્યા રાજા બન્યો. યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના પચાસમા વર્ષમાં મનાહેમનો પુત્ર પક્હ્યા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં બે વર્ષ રાજ કર્યું. ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું અનુસરણ કરીને તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. પક્હ્યાના લશ્કરી અધિકારી એટલે રમાલ્યાના પુત્ર પેક્હે તેની સામે વિદ્રોહ કર્યો. તેણે ગિલ્યાદમાં પચાસ માણસોને પોતાની સાથે રાખીને સમરૂનના રાજમહેલમાં આર્ગોબ અને આર્યેહ સહિત પક્હ્યાને મારી નાખ્યો, અને તેના પછી રાજા બન્યો. પક્હ્યાનાં અન્ય કાર્યો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે. યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના બાવનમા વર્ષમાં રમાલ્યાનો પુત્ર પેક્હ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં વીસ વર્ષ રાજ કર્યું. ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામના સર્વ દુરાચારનું અનુસરણ કરીને તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. પેક્હ રાજા હતો ત્યારે આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ પિલેસેરે આયોન, આબેલ-બેથમાકા, યાનોઆ, કેદેશ અને હાસોર નગરો તેમજ ગિલ્યાદ, ગાલીલ તથા નાફતાલીના પ્રદેશો જીતી લીધા અને ત્યાંના લોકોને કેદ કરી આશ્શૂર લઈ ગયો. ઉઝિયાના પુત્ર એટલે યહૂદિયાના રાજા યોથામના અમલના વીસમા વર્ષમાં એલાના પુત્ર હોશિયાએ પેક્હ રાજા સામે વિદ્રોહ કરીને તેને મારી નાખ્યો અને તેના પછી રાજા બન્યો. પેક્હનાં અન્ય કાર્યો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે. રમાલ્યાના પુત્ર ઇઝરાયલના રાજા પેક્હના અમલના બીજા વર્ષમાં, ઉઝિયાનો પુત્ર યોથામ યહૂદિયાનો રાજા બન્યો. તે વખતે તે પચ્ચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેની મા યરૂશા સાદોકની પુત્રી હતી. પોતાના પિતાનો નમૂનો અનુસરીને યોથામે પ્રભુને પસંદ પડતાં કાર્યો કર્યાં. પણ પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતો અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલુ રાખ્યું હતું. પ્રભુના મંદિરનો ઉત્તર દરવાજો યોથામે બંધાવ્યો હતો. યોથામનાં અન્ય કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે. તેના રાજ્યકાળ દરમ્યાન પ્રભુ પ્રથમ અરામના રાજા રસીનને અને ઇઝરાયલના રાજા પેક્હને હુમલો કરવા લઈ આવ્યા. યોથામ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં રાજકુટુંબની કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ રાજા બન્યો. રમાલ્યાના પુત્ર ઇઝરાયલના રાજા પેક્હના અમલના સત્તરમા વર્ષમાં યોથામનો પુત્ર આહાઝ યહૂદિયાનો રાજા બન્યો; તે વખતે તે વીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેણે પોતાના પૂર્વજ દાવિદ રાજાની જેમ પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું નહિ, એને બદલે, તે ઇઝરાયલના રાજાઓના નમૂનાને અનુસર્યો. ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તેમની આગળથી પ્રભુએ હાંકી કાઢેલ પ્રજાઓની ઘૃણાસ્પદ રીતરસમો અનુસરીને તેણે મૂર્તિ સમક્ષ પોતાના પુત્રનું અગ્નિમાં અર્પણ કર્યું. પૂજાનાં ઉચ્ચસ્થાનોએ, પ્રત્યેક ટેકરી પર અને પ્રત્યેક હરિયાળા વૃક્ષ નીચે આહાઝ બલિદાનો ચઢાવતો અને ધૂપ બાળતો. અરામના રાજા રસીને અને ઇઝરાયલના રાજા પેક્હે યરુશાલેમ પર હુમલો કર્યો અને તેને ઘેરો ઘાલ્યો. પણ તેઓ આહાઝને હરાવી શક્યા નહિ. (એ જ વખતે અદોમના રાજાએ એલાથ નગર પર ફરીથી કબજો જમાવી ત્યાં રહેતા યહૂદિયાના લોકોને હાંકી કાઢયા. અદોમીઓ એલાથમાં વસ્યા અને હજુ ત્યાં રહે છે.) આહાઝે આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ પિલેસેર પાસે આવો સંદેશ લઈ માણસો મોકલ્યા: “હું તમારો વફાદાર સેવક અને પુત્રતુલ્ય છું. મારા પર હુમલો લઈ આવેલ અરામ અને ઇઝરાયલના રાજાઓથી મને બચાવો.” આહાઝે પ્રભુના મંદિરમાંથી અને મહેલની તિજોરીમાંથી સોનુંચાંદી લઈને તે આશ્શૂરના સમ્રાટને ભેટમાં મોકલી આપ્યું. તિગ્લાથ પિલેસેરે આહાઝની દાદના પ્રત્યુત્તરમાં પોતાનું સૈન્ય લઈ દમાસ્ક્સ પર ચડાઈ કરીને તેને જીતી લીધું. રાજા રસીનને મારી નાખ્યો અને લોકોને કેદીઓ બનાવી કીર લઈ ગયો. આહાઝ રાજા સમ્રાટ તિગ્લાથ પિલેસેરને મળવા દમાસ્ક્સ ગયો ત્યારે તેણે ત્યાં એક વેદી જોઈ અને તેણે વેદીની ઝીણાંમાં ઝીણી વિગતોવાળી આબેહૂબ પ્રતિકૃતિ યજ્ઞકાર ઉરિયાને મોકલી આપી. આહાઝે દમાસ્ક્સથી મોકલેલી પ્રતિકૃતિ જેવી જ વેદી ઉરિયાએ બનાવી અને આહાઝ આવ્યો તે પહેલાં તેનું કામ પૂરું કર્યું! આહાઝ દમાસ્ક્સથી પાછો ફર્યો ત્યારે વેદી પૂરેપૂરી તૈયાર થઈ ગઈ હતી. તેથી તેણે તેના પર પ્રાણીનાં દહનબલિ અને ધાન્યાર્પણ ચડાવ્યાં અને તે પર દ્રાક્ષાસવનું પેયાર્પણ અને સંગતબલિનું રક્ત રેડયું. પ્રભુને અર્પિત થયેલ તામ્રવેદી પેલી નવી વેદી અને પ્રભુના મંદિરની વચ્ચે હતી. તેથી આહાઝે તામ્રવેદીને પોતાની નવી વેદીની ઉત્તર બાજુએ મૂકી. પછી તેણે ઉરિયાને આજ્ઞા આપી: “સવારનાં દહનબલિ અને સાંજનાં ધાન્યાર્પણ માટે, રાજા અને લોકોનાં દહનબલિ અને ધાન્યાર્પણ માટે અને લોકોના દ્રાક્ષાસવનાં પેયાર્પણ માટે મારી આ નવી વેદી વાપરો.” બલિદાન કરવામાં આવતાં બધાં પ્રાણીઓનું રક્ત તેના પર રેડો. પણ તામ્રવેદી મારે માટે રાખ; તેનો ઉપયોગ હું ભવિષ્ય જાણવા કરીશ. ઉરિયાએ રાજાની આજ્ઞા પ્રમાણે કર્યું. આહાઝ રાજાએ પ્રભુના મંદિરમાં વપરાતી તાંબાની જળગાડીઓ એકબાજુ હટાવી દીધી અને તેમના પરથી જળકુંડીઓ ઉઠાવી લીધી. તાંબાના બાર બળદોની પીઠ પરથી તાંબાનો જળકુંડ પણ લઈ લીધો, અને તેને પથ્થરના ઓટલા પર મૂક્યો. વળી, આશ્શૂરના સમ્રાટને ખુશ કરવા આહાઝે પ્રભુના મંદિરમાંથી સાબ્બાથદિન માટે રાજ્યાસનનો તખ્તો પણ ઉઠાવી લીધો અને રાજાને માટે મંદિરમાં જવાનો ગુપ્ત રસ્તો પણ બંધ કરી દીધો. આહાઝ રાજાનાં બાકીનાં કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. આહાઝ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં રાજકુટુંબની કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર હિઝકિયા રાજા બન્યો.” યહૂદિયાના રાજા આહાઝના અમલના બારમા વર્ષમાં એલાનો પુત્ર હોશિયા, ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં નવ વર્ષ રાજ કર્યુ. તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ આચરણ કર્યું, પણ તેની અગાઉ થઈ ગયેલ ઇઝરાયલના રાજાઓના જેવું નહિ. આશ્શૂરના સમ્રાટ શાલ્મનેશેરે તેની વિરુદ્ધ યુદ્ધ કર્યું; હોશિયા શાલ્મનેશેરને તાબે થઈ ગયો, અને તેને દર વર્ષે ખંડણી આપવા લાગ્યો. પણ એક વર્ષે હોશિયાએ ઇજિપ્તના રાજા સો પાસે સંદેશકો મોકલી તેની મદદ માગી અને આશ્શૂરને ખંડણી આપવાનું બંધ કર્યું. આશ્શૂરના રાજા શાલ્મનેશેરને એની ખબર પડતાં, તેણે હોશિયાને પકડીને પૂરી દીધો. પછી આશ્શૂરના રાજા શાલ્મનેશેરે ઇઝરાયલ પર આક્રમણ કર્યું અને ત્રણ વર્ષ સુધી સમરૂનને ઘેરો ઘાલ્યો. ઘેરાના ત્રીજે વર્ષે એટલે, હોશિયાના અમલના નવમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટે સમરૂન જીતી લીધું. તે ઇઝરાયલીઓને કેદ કરી આશ્શૂર લઈ ગયો અને કેટલાકને હાલા નગરમાં, કેટલાકને હાબાર નદી પાસેના ગઝાન જિલ્લામાં અને કેટલાકને મિડિયાનાં નગરમાં વસાવ્યા. સમરૂનનું પતન થવાનું કારણ એ હતું કે ઇઝરાયલીઓએ તેમને ઇજિપ્તમાંથી ત્યાંના રાજા ફેરોના હાથમાંથી છોડાવી લાવનાર તેમના ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યુ હતું અને અન્ય દેવોની પૂજા કરી હતી. વળી, પ્રભુના લોક દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તેમની આગળથી જે પ્રજાઓને પ્રભુએ હાંકી કાઢી હતી તેમના રીતરિવાજોને લોકો અનુસર્યા અને ઇઝરાયલના રાજાઓએ દાખલ કરેલા રીતરિવાજો અપનાવ્યા. પોતાના ઈશ્વર પ્રભુને નાપસંદ એવાં કામો ઇઝરાયલીઓએ ગુપ્ત રીતે કર્યાં. તેમણે જ્યાં માત્ર ચોકીનો બુરજ હોય એવા નાના ગામડાથી માંડી કિલ્લેબંદીવાળાં મોટાં નગર સુધી સર્વ સ્થળોમાં પૂજાનાં ઉચ્ચસ્થાનો બાંધ્યાં. પ્રત્યેક પર્વત પર અને પ્રત્યેક હરિયાળા વૃક્ષ નીચે તેમણે શિલાસ્તંભો અને અશેરા દેવીની પ્રતિમાઓ મૂકી. પ્રભુએ જે લોકોને દેશમાંથી હાંકી કાઢયા હતા તેમની રીતરસમોને અનુસરીને તેમણે પૂજાનાં સર્વ ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળ્યો. પોતાનાં સર્વ ભૂંડાં કામોથી તેમણે પ્રભુને રોષ ચઢાવ્યો, અને મૂર્તિપૂજા નહિ કરવાની પ્રભુની આજ્ઞા ઉથાપી. ઇઝરાયલ અને યહૂદિયાને ચેતવણી આપવા માટે પ્રભુએ પોતાના સેવકો અને સંદેશવાહકોને મોકલ્યા હતા: “તમારા દુષ્ટ માર્ગો છોડી દો અને તમારા પૂર્વજોને ફરમાવેલ અને મારા સેવકો એટલે સંદેશવાહકો મારફતે તમારી પાસે મોકલેલ નિયમશાસ્ત્રમાંની મારી આજ્ઞાઓ અને ફરમાનો પાળો.” પણ તેઓ આધીન થયા નહિ; પોતાના ઈશ્વર પ્રભુ પર ભરોસો નહિ રાખનાર તેમના પૂર્વજોની જેમ તેઓ અક્કડ વલણના હતા. તેમણે તેમની સૂચનાઓને આધીન થવાની ના પાડી, તેમના પૂર્વજો સાથે તેમણે કરેલો કરાર તેમણે પાળ્યો નહિ અને તેમણે તેમની ચેતવણીઓ ગણકારી નહિ. તેમણે વ્યર્થ મૂર્તિઓની પૂજા કરીને તેઓ પોતે જ વ્યર્થ બન્યા અને આસપાસની પ્રજાઓનું અનુકરણ નહિ કરવાની પ્રભુ આજ્ઞાનો અનાદર કરીને તેઓ તેમના રિવાજો અનુસર્યા; તેમણે તેમના ઈશ્વર પ્રભુના સઘળા નિયમોનો ભંગ કર્યો અને ભક્તિ માટે ધાતુમાંથી ઢાળેલા બે વાછરડા બનાવ્યા. તેમણે અશેરા દેવીની પ્રતિમા બનાવી, નક્ષત્રમંડળની ભક્તિ કરી અને બઆલની સેવાપૂજા કરી. તેમણે વિધર્મી દેવોને પોતાના પુત્રો અને પુત્રીઓનાં દહનબલિ ચઢાવ્યાં; તેમણે પ્રેતાત્માના માયમનો અને ભવિષ્યવેત્તાઓનો પરામર્શ કર્યો, અને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણના ગુલામ બની ગયા અને એમ તેમનો કોપ વહોરી લીધો. તેથી પ્રભુએ ઇઝરાયલ પર કોપાયમાન થઈ તેમને પોતાની આંખો આગળથી દૂર કર્યા અને માત્ર યહૂદિયાનું કુળરાજ્ય જાળવી રાખ્યું. યહૂદિયાના લોકોએ પણ તેમના ઈશ્વર પ્રભુની આજ્ઞાઓ પાળી નહિ; તેઓ ઇઝરાયલના લોકોએ અપનાવેલા રિવાજોનું અનુકરણ કર્યું. પ્રભુએ સર્વ ઇઝરાયલીઓનો ત્યાગ કર્યો અને તેમને શિક્ષા કરી તેમને તેમના ક્રૂર શત્રુઓના હાથમાં સોંપી દીધા અને અંતે તેમણે તેમને પોતાની આંખો આગળથી દૂર કર્યા. પ્રભુએ દાવિદના રાજવંશ હસ્તકથી રાજ્યનું વિભાજન કરીને ઇઝરાયલને જુદું પાડયું, અને ઇઝરાયલીઓએ નબાટના પુત્ર યરોબામને પોતાનો રાજા બનાવ્યો. યરોબામે તેમની પાસે પ્રભુનો ત્યાગ કરાવ્યો અને તેમને ભયંકર પાપમાં પાડયા. યરોબામે ઇઝરાયલી લોકોને મૂર્તિપૂજાનાં પાપકર્મોમાં દોર્યા અને એમાંથી તેઓ ક્યારેય પાછા વળ્યા નહિ. છેવટે પોતાના સેવક સંદેશવાહકો દ્વારા પ્રભુએ કહ્યું હતું તેમ તેમણે તેમને પોતાની આંખો આગળથી દૂર કર્યા. એમ ઇઝરાયલના લોકો બંદિવાન તરીકે આશ્શૂરમાં લઈ જવાયા અને આજે પણ તેઓ ત્યાં રહે છે. આશ્શૂરના સમ્રાટે દેશનિકાલ કરેલા ઇઝરાયલીઓને સ્થાને બેબિલોન, કૂથ, ઈવ્વા, હમાથ અને સફાર્વાઈમ નગરોમાંથી લોકોને લાવીને તેમને સમરૂનનાં નગરોમાં વસાવ્યા. એ નગરો કબજે કરીને તેઓ ત્યાં વસ્યા. એ લોકોએ ત્યાં પોતાના પ્રથમ વસવાટ વખતે પ્રભુની ઉપાસના કરી નહિ અને તેથી પ્રભુએ સિંહો મોકલીને તેમનામાંથી કેટલાકને મારી નાખ્યા. આશ્શૂરના સમ્રાટને જાણ કરવામાં આવી કે સમરૂનમાં વસેલા લોકો એ દેશના ઈશ્વરના નિયમથી અજાણ છે અને તેથી એ દેશના ઇશ્વરે સિંહો મોકલીને તેમને મારી નાખ્યા છે. તેથી સમ્રાટે હુકમ કર્યો: “આપણે જે કેદીઓ પકડી લાવ્યા છીએ તેમાંથી યજ્ઞકારોમાંના કોઈ એક જૂથને પાછું મોકલો; તેને ત્યાં જઈ રહેવા દો જેથી તે લોકોને તે દેશમાં ઈશ્વરનું નિયમશાસ્ત્ર શીખવે.” તેથી સમરૂનમાંથી દેશનિકાલ થયેલ ઇઝરાયલી યજ્ઞકારોનું એક જૂથ પાછું બેથેલમાં આવીને વસ્યું. ત્યાં તેમણે લોકોને પ્રભુની ઉપાસના કેવી રીતે કરવી તે શીખવ્યું. છતાં દરેક દેવના લોકોએ પોતપોતાની મૂર્તિઓ બનાવીને સમરૂનના મૂળ વતની ઇઝરાયલીઓએ બાંધેલાં પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં તેમની સ્થાપના કરતા રહ્યા. પ્રત્યેક પ્રજાનાં જૂથો જ્યાં વસતા હતા એ નગરોમાં તેમણે એ પ્રમાણે કર્યું. બેબિલોનના લોકોએ તેમના દેવ સુક્કોથ બેનોથની મૂર્તિ, કૂથના લોકોએ નર્ગાલની મૂર્તિ, હમાથના લોકોએ આશિમાની મૂર્તિ, ઈવ્વાના લોકોએ નિબ્હાજ અને તાર્તાકની મૂર્તિઓ બનાવી. સફાર્વાઈમના લોકોએ પોતાના દેવ આદ્રામેલેખ અને અનામ્મેલેખ આગળ પોતાનાં સંતાનોનાં દહનબલિ કર્યાં. આ લોકો પ્રભુની ઉપાસના કરતા અને પોતાના જ લોકમાંથી પૂજાનાં ઉચ્ચસ્થાન પર સેવા કરવા અને ત્યાં તેમને માટે બલિદાન ચઢાવવા માટે સર્વ પ્રકારના લોકમાંથી યજ્ઞકારો નીમ્યા. એમ તેઓ પ્રભુની ઉપાસના કરતા, પણ સાથે પોતે જે દેશોમાંથી આવ્યા હતા ત્યાંના રીતરિવાજ પ્રમાણે તેમણે તેમના પોતાના દેવોની ઉપાસના કરવાનું પણ ચાલુ રાખ્યું. આજ દિન સુધી તેઓ તેમના રીતરિવાજો પાળતા રહ્યા છે. તેઓ પ્રભુની ઉપાસના કરતા નથી અને યાકોબ, જેમનું નામ પ્રભુએ ઇઝરાયલ પાડયું હતું તેમના વંશજોને તેમણે આપેલા ફરમાનો અને આદેશો તેઓ પાળતા નથી. પ્રભુએ ઇઝરાયલની સાથે કરાર કર્યો હતો અને તેમને આદેશ આપ્યો હતો. “અન્ય દેવોની ઉપાસના કરશો નહિ; તેમની આગળ નમશો નહિ, અથવા તેમની સેવા કરશો નહિ અથવા તેમને બલિદાન ચડાવશો નહિ. તમને મોટા પરાક્રમ તથા બાહુબળથી ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો પ્રભુ છું; તમારે મને આધીન રહીને મારી આગળ નમવાનું છે અને મને બલિદાનો ચઢાવવાનાં છે. તમારે માટે મેં લખેલા ફરમાનો અને આદેશો તથા નિયમો અને આજ્ઞાઓ પાળવાનાં છે. તમારે બીજા દેવોની આરાધના કરવી નહિ; મેં તમારી સાથે કરેલો કરાર તમે ભૂલી જશો નહિ. તમારે મારી, ઈશ્વર તમારા પ્રભુની જ ઉપાસના કરવાની છે, એટલે હું તમને તમારા શત્રુઓથી બચાવીશ.” તોપણ લોકોએ માન્યું નહિ, અને પોતાના જૂના રીતરિવાજો પાળતા રહ્યા. એમ એ પ્રજાઓ પ્રભુની ઉપાસના કરતી તો સાથે સાથે તેમની કોરેલી મૂર્તિઓની પૂજા પણ કરતી, અને આજ દિન સુધી તેમના વંશજો પણ એમ જ કરતા આવ્યા છે. ઇઝરાયલનો રાજા એટલે એલાના પુત્ર હોશિયાના અમલના ત્રીજા વર્ષમાં આહાઝનો પુત્ર હિઝકિયા યહૂદિયાનો રાજા બન્યો. તે પચ્ચીસ વર્ષની ઉંમરે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ્ય કર્યું. ઝખાર્યાની પુત્રી અબિયા તેની માતા હતી. પોતાના પૂર્વજ દાવિદનો નમૂનો અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. તેણે પૂજાંનાં ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો, શિલાસ્તંભો તોડી પાડયા અને અશેરા દેવીની પ્રતિમાઓના ચૂરેચૂરા કરી નાખ્યા. મોશેએ બનાવેલો તામ્રસાપ, જેને તેઓ નેહુશ્તાન કહેતા તેના પણ તેણે ટુકડેટુકડા કરી નાખ્યા. તે સમય સુધી તો ઇઝરાયલી લોકો તેની આગળ ધૂપ બાળતા. હિઝકિયાએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પર ભરોસો રાખ્યો. તેની પહેલાં કે પછી યહૂદિયામાં ક્યારેય તેના જેવો રાજા બીજો કોઈ નહોતો. તે પ્રભુ પ્રત્યે નિષ્ઠાવાન હતો અને તેમને અનુસરવાથી પાછો હટયો નહિ, પણ પ્રભુએ મોશેને આપેલી સર્વ આજ્ઞાઓનું તે કાળજીપૂર્વક પાલન કરતો. તેથી પ્રભુ તેની સાથે હતા, અને તે તેના સર્વ કાર્યમાં સફળ થતો. તેણે આશ્શૂરના સમ્રાટ સામે વિદ્રોહ કર્યો અને તેને આધીન થવાનો નકાર કર્યો. તેણે પલિસ્તીઓનો પરાજય કર્યો અને ગાઝા તથા તેની આસપાસના પ્રદેશોનાં માત્ર ચોકીદારનો બુરજ ધરાવતાં નાનાં નાનાં ગામોથી માંડી કિલ્લેબંદીવાળાં મોટાં નગરો સુધી તેમના સર્વ વસવાટો પર આક્રમણ કર્યું. હિઝકિયા રાજાના અમલના ચોથા વર્ષમાં, એટલે કે, હોશિયા રાજાના ઇઝરાયલ પરના અમલના સાતમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટ શાલ્મનેશેરે ઇઝરાયલ પર ચઢાઈ કરી અને સમરૂનને ઘેરો ઘાલ્યો. ત્રીજા વર્ષની આખરમાં તેમણે સમરૂન સર કર્યું. એ તો હિઝકિયાના અમલનું છઠ્ઠું વર્ષ અને હોશિયાના અમલનું નવમું વર્ષ હતું. આશ્શૂરનો સમ્રાટ ઇઝરાયલીઓને આશ્શૂરમાં કેદ કરી લઈ ગયો અને કેટલાકને હાલા નગરમાં, કેટલાકને હાબોર નદી પાસેના ગોઝાન જિલ્લામાં અને કેટલાકને માદીઓનાં નગરોમાં વસાવ્યા. સમરૂનનું પતન થયું; કારણ, ઇઝરાયલીઓ તેમના ઈશ્વર પ્રભુની વાણીને આધીન થયા નહિ, પણ તેમણે તેમની સાથે કરેલા કરારનો ભંગ કર્યો અને પ્રભુના સેવક મોશેએ આપેલી સર્વ આજ્ઞાઓનો અનાદર કર્યો; એટલે, તેમણે તેમનું સાંભળ્યું નહિ અને આધીન પણ થયા નહિ. હિઝકિયા રાજાના અમલના ચૌદમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટ સાન્હેરિબે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરો પર ચઢાઈ કરી તેમને જીતી લીધાં. યહૂદિયાના રાજા હિઝકિયાએ સાન્હેરિબને લાખીશમાં સંદેશો મોકલ્યો: “મેં ભૂલ કરી છે; તમારી ચઢાઈ પાછી હઠાવી લો અને તમે ખંડણી તરીકે જે માગો તે હું આપીશ.” સમ્રાટે હિઝકિયાને દસ ટન રૂપું અને એક ટન સોનું મોકલવા જણાવ્યું. હિઝકિયાએ તેને મંદિરમાંનું અને રાજમહેલના ખજાનાનું સર્વ રૂપું મોકલી આપ્યું. તેણે મંદિરના કમાડો પરનું સોનું અને જે બારસાખો સોનાથી મઢાવી હતી તેનું બધું સોનું ઊતરડી લીધું અને સાન્હેરિબને મોકલાવ્યું. આશ્શૂરના સમ્રાટે તેના સરસેનાપતિ, મુખ્ય નિયામક અને મુખ્ય અમલદારને હિઝકિયા સામે લડવા મોટું સૈન્ય લઈને યરુશાલેમ મોકલ્યા. તેમણે યરુશાલેમ આવીને ઉપલાણના કુંડમાંથી પાણી લાવનાર ખાઈ પાસે, ધોબીઘાટને રસ્તે પડાવ નાખ્યો. પછી તેમણે હિઝકિયા રાજા પર સંદેશો મોકલ્યો, એટલે તેના ત્રણ અધિકારીઓ તેમને મળવા બહાર આવ્યા. તેમાં રાજમહેલનો મુખ્ય અધિકારી એટલે, હિલ્કિયાનો પુત્ર એલિયાકીમ, રાજમંત્રી શેબના અને ગૃહમંત્રી એટલે, આસાફનો પુત્ર યોઆહ હતા. મુખ્ય અમલદારે તેમને કહ્યું, “આશ્શૂરના મહાન સમ્રાટ તરફથી હિઝકિયાને આવો સંદેશો છે: તું કોના પર મદાર બાંધીને ભરોસો રાખે છે? તું એમ માને છે કે માત્ર મોઢાના શબ્દો લશ્કરી વ્યૂહરચના કે તાક્તનું સ્થાન લઈ શકે? તું કોના પર મદાર બાંધીને મારી સામે વિદ્રોહ કરે છે? કદાચ ઇજિપ્ત મદદ કરશે એવી તારી અપેક્ષા હશે. પણ ઇજિપ્ત તો બરુની ભાંગી ગયેલી લાકડી જેવું છે. જે કોઈ તેનો ટેકો લે તેનો હાથ જ ચીરાઈ જાય. ઇજિપ્તનો રાજા તેના પર આધાર રાખનાર સૌને માટે એવો જ છે.” મુખ્ય અમલદારે સમ્રાટ તરફથી વિશેષમાં જણાવ્યું, “તું મને કહેશે કે અમે ઈશ્વર અમારા પ્રભુ પર આધાર રાખીએ છીએ. તો એ જ પ્રભુની ભક્તિ માટેનાં ઉચ્ચસ્થાનો તોડી પાડીને યહૂદિયા અને યરુશાલેમના લોકોને માત્ર યરુશાલેમની વેદીએ જ ઉપાસના કરવાનું કહેનાર તું હિઝકિયા જ નથી? હું તારી સાથે સમ્રાટ એટલે મારા માલિકને નામે વાટાઘાટ કરીશ. જો તને બે હજાર ઘોડેસ્વારો મળી આવે તો હું તને તેટલા ઘોડા આપીશ. આશ્શૂરના સૌથી નીચલા દરજ્જાના અધિકારી સાથે પણ તું બરાબરી કરી શકે નહિ. છતાં ઇજિપ્તીઓ તને રથો અને ઘોડેસ્વારો મોકલે એવી આશા તું રાખે છે? શું તું એમ માને છે કે પ્રભુની સહાય વિના મેં તારા દેશ પર આક્રમણ કરી તેનો વિનાશ કર્યો છે? પ્રભુએ પોતે મને તેના પર આક્રમણ કરી તેનો વિનાશ કરવા જણાવ્યું છે.” પછી હિલકિયાના પુત્ર એલિયાકીમ, શેબ્ના અને યોઆહે પેલા અમલદારને કહ્યું, “સાહેબ, અમારી સાથે અરામી ભાષામાં વાત કરો. અમે તે સમજીએ છીએ. હિબ્રૂ ભાષામાં બોલશો નહિ; કારણ, કોટ પર ઊભેલા બધા લોકો સાંભળે છે.” તેણે જવાબ આપ્યો, “શું તમે એમ માનો છો કે સમ્રાટે મને માત્ર તમને કે રાજાને જ આ બધું કહેવા મોકલ્યો છે? ના, હું તો કોટ પર બેઠેલા લોકોને ઉદ્દેશીને બોલું છું અને તમારી જેમ તેમણે પણ પોતાના મળમૂત્ર ખાવાપીવાં પડશે.” પછી મુખ્ય અમલદારે ઊભા થઈ હિબ્રૂમાં બૂમ પાડી, “આશ્શૂરના સમ્રાટ તરફથી તમારે માટેનો સંદેશો સાંભળો. હિઝકિયા તમને ભુલાવે નહિ તે માટે સમ્રાટ તમને ચેતવે છે. કારણ, તે તમને તેમના હાથમાંથી છોડાવી શકશે નહિ. પ્રભુ જરૂર આપણને બચાવશે અને આ નગરને આશ્શૂરના રાજાના હાથમાં પડવા દેશે નહિ એમ કહીને હિઝકિયા તમને ભરમાવે નહિ. હિઝકિયાનું સાંભળશો નહિ. આશ્શૂરના સમ્રાટ તમને નગર બહાર આવીને તેમની શરણાગતિ સ્વીકારી લેવા જણાવે છે. તમને તમારા પોતાના દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને તમારી અંજીરીઓનાં અંજીર ખાવા દેવાની અને તમારા પોતાનાં ટાંકાનું પાણી પીવાની છૂટ આપવામાં આવશે. ત્યાં સુધી કે સમ્રાટ તમારા દેશ જેવા જ દેશમાં એટલે કે, જ્યાં દ્રાક્ષાસવ માટે દ્રાક્ષવાડીઓ છે અને રોટલી માટે ધાન્ય છે ત્યાં તમારો પુનર્વસવાટ કરાવે; એ તો ઓલિવવૃક્ષો, ઓલિવ તેલ અને મધનો દેશ છે. તમે તેમની આજ્ઞાને આધીન થાઓ તો તમે માર્યા જશો નહિ, પણ જીવતા રહેશો. પ્રભુ તમને છોડાવી લેશે એવી ભ્રમણામાં નાખી હિઝકિયા તમને મૂર્ખ ન બનાવે. આશ્શૂરના સમ્રાટના હાથમાથી કોઈ પ્રજાના દેવોએ તેમના દેશને બચાવ્યા છે? હમાથ અને આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઈમ, હેના અને ઈવ્વાના દેવો ક્યાં છે? કોઈ દેવે સમરૂનનો બચાવ કર્યો? આ બધા દેશોના કોઈપણ દેવે અમારા સમ્રાટના હાથમાંથી ક્યારેય કોઈ દેશને છોડાવ્યો છે? તો પછી પ્રભુ યરુશાલેમને બચાવશે એવું તમે કેમ માનો છો?” હિઝકિયાના કહેવા પ્રમાણે લોકો ચૂપ રહ્યા. તેઓ એક શબ્દ પણ બોલ્યા નહિ. પછી હિલકિયાના પુત્ર એલિયાકીમે, શેબ્નાએ તથા યોઆહે શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં, અને આશ્શૂરનો મુખ્ય અમલદાર જે બોલ્યો હતો તે જઈને રાજાને કહ્યું. તેમનો અહેવાલ સાંભળતાં જ હિઝકિયા રાજાએ શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં, કંતાનનાં વસ્ત્ર પહેર્યાં અને પ્રભુના મંદિરમાં ગયો. તેણે રાજમહેલના અધિકારી એલિયાકીમને, રાજમંત્રી શેબ્નાને અને અગ્રણી યજ્ઞકારોને આમોસના પુત્ર સંદેશવાહક યશાયા પાસે મોકલ્યા. તેમણે પણ કંતાનનાં વસ્ત્ર પહેર્યાં હતાં. તેણે તેમને યશાયા પાસે જઈને આ સંદેશો કહેવા જણાવ્યું: “આજે તો સંકટનો દિવસ છે; આપણને ધમકી અપાય છે અને આપણું અપમાન થાય છે. જેને પ્રસૂતિ થવાની તૈયારી હોય, પણ પ્રસવ માટે ખૂબ જ નિર્બળ હોય એવી સ્ત્રી જેવા આપણે છીએ. આશ્શૂરના સમ્રાટે જીવતા ઈશ્વરનું અપમાન કરવા તેના મુખ્ય અમલદારને મોકલ્યો છે. ઈશ્વર તારા પ્રભુ આ નિંદા સાંભળીને એ નિંદકને સજા કરે તે માટે આપણા રહ્યાસહ્યા લોકો માટે ઈશ્વરને પ્રાર્થના કર.” યશાયાએ રાજાના સેવકો પાસેથી હિઝકિયા રાજાનો એ સંદેશો સાંભળ્યો, એટલે તેણે આ પ્રત્યુત્તર મોકલ્યો: “તમારા માલિકને જઈને કહો કે, પ્રભુ આમ જણાવે છે: ‘આશ્શૂરના રાજાના સેવકોએ મારી જે નિંદા કરી છે તેના શબ્દોથી ગભરાઈ જશો નહિ. હું તેને એવી પ્રેરણા કરીશ કે તે માત્ર અફવા સાંભળીને તેના દેશમાં પાછો ચાલ્યો જશે અને ત્યાં તેના દેશમાં જ તે તલવારથી માર્યો જાય એવું હું કરીશ.” આશ્શૂરના મુખ્ય અમલદારને ખબર મળી કે આશ્શૂરનો સમ્રાટ લાખીશ છોડીને નજીકના લિબ્ના નગર સામે લડી રહ્યો છે. તેથી તે તેને ત્યાં મળવા ગયો. આશ્શૂરીઓને ખબર મળી કે કૂશના રાજા તિર્હાકાની સરદારી હેઠળ ઇજિપ્તીઓનું સૈન્ય તેમના પર ચઢી આવે છે. એ સાંભળીને આશ્શૂરના સમ્રાટે યહૂદિયાના રાજા હિઝકિયા પર એક પત્ર મોકલ્યો. તેમાં તેણે આ પ્રમાણે જણાવ્યું, “જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે તેણે તને એવું કહ્યું છે કે યરુશાલેમ મારા હાથમાં પડશે નહિ, તો પણ એથી ભરમાઈશ નહિ. આશ્શૂરનો સમ્રાટ જે દેશનો વિનાશ કરવાનો નિર્ણય કરે છે તેની તે કેવી દશા કરે છે તે તેં સાંભળ્યું હશે. તો પછી તું બચી જશે એવું ધારે છે? મારા પૂર્વજોએ ગોશાન, હારાન અને રેસેફ નગરોનો નાશ કર્યો હતો અને તેલાસ્સારમાં રહેતા બેથ-એદનના લોકોની મારી નાખ્યા હતા, અને એમનો કોઈ દેવ તેમને બચાવી શક્યો નહિ. વળી, હમાથ, આર્પાદ, સફાર્વાઈમ, હેના અને ઈવ્વા નગરોના રાજાઓ ક્યાં છે?” હિઝકિયા રાજાએ સંદેશકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તેણે મંદિરમાં જઈને પ્રભુની સમક્ષ એ પત્ર મૂક્યો. તેણે પ્રાર્થના કરી, “હે ઈઝરાયલના ઈશ્વર પ્રભુ, પાંખવાળાં પ્રાણી કરુબો પરના પોતાના રાજ્યાસન પર બિરાજમાન, તમે એકલા જ ઈશ્વર છો અને દુનિયામાં બધાં રાજ્યો પર તમારું શાસન છે. તમે આકાશ અને પૃથ્વીના સર્જક છો. તો હવે પ્રભુ અમારી આ અવદશા જુઓ. તમારી એટલે જીવતા ઈશ્વરની સાન્હેરિબ કેવી નિંદા કરે છે તે લક્ષમાં લો. પ્રભુ અમે સૌ જાણીએ છીએ કે આશ્શૂરના સમ્રાટોએ ઘણી પ્રજાઓનો નાશ કર્યો છે અને તેમના દેશોને ઉજ્જડ કરી નાખ્યા છે. તેમણે તેમના દેવોને બાળી નાખ્યા; જો કે એ તો દેવો હતા જ નહિ, પણ માત્ર માનવ હાથે બનાવેલી લાકડાની અને પથ્થરની પ્રતિમાઓ જ હતી. હવે ઓ પ્રભુ, અમારા ઈશ્વર, આશ્શૂરીઓના હાથમાંથી અમને બચાવો, જેથી દુનિયાની સઘળી પ્રજાઓ જાણે કે તમે યાહવે જ એકમાત્ર ઈશ્વર છો.” પછી યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલ્યો કે રાજાની પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં પ્રભુએ આમ જણાવ્યું છે: “હે સાન્હેરિબ, સિયોનની કુમારિકા તારો તુચ્છકાર કરે છે, તે અટ્ટહાસ્ય કરીને તારો તિરસ્કાર કરે છે; તું પીછેહઠ કરી રહ્યો છે ત્યારે યરુશાલેમની પુત્રી માથું હલાવીને તારી ઠેકડી ઉડાવે છે. તું કોનું અપમાન કે મશ્કરી કરે છે તે તું જાણે છે? તેં મારું, એટલે ઇઝરાયલના પવિત્ર ઈશ્વરનું અપમાન કર્યું છે. તારા સઘળા રથોની મદદથી તેં લબાનોનના સર્વોચ્ચ પર્વતો સર કર્યા છે એવી મારી આગળ બડાશ મારવા તેં તારા સંદેશકો મોકલ્યા. તેં એવી બડાશ મારી કે તેં ઊંચામાં ઊંચા ગંધતરુ અને સુંદરત્તમ દેવદારનાં વૃક્ષો કાપી નાખ્યાં અને તું અતિ ગાઢ જંગલમાં પહોંચી ગયો. તેં એવી પણ બડાશ મારી કે તેં પરદેશીઓના દેશમાં કૂવા ખોદીને પાણી પીધાં અને તારા સૈનિકોએ નાઈલનાં બધાં ઝરણાં ખૂંદીને સૂકવી નાખ્યાં.” “એ બધું મેં અગાઉથી નિર્માણ કર્યું છે એ તે સાંભળ્યું નથી? હવે મેં તેમ થવા પણ દીધું છે. કિલ્લેબંધી નગરોને પથ્થરોના ઢગલામાં ફેરવી દેવા મેં તને શક્તિ આપી. તેના રહેવાસીઓ નિર્બળ અને નિરાશ થઈ હાવરાબાવરા બની ગયા છે. તેઓ તે પૂર્વના ગરમ પવનથી કરમાઈ ગયેલા ખેતરમાંના ઘાસ કે ધાબા પરના ઘાસ જેવા હતા.” “પણ તારી બધી હિલચાલ, એટલે, તું ક્યાં જાય છે અને શું કરે છે તે બધું હું જાણું છું. મારા પ્રત્યેનો તારો રોષ હું જાણું છું. મને તારી ઉદ્ધતાઈની અને તારા અભિમાનની ખબર મળી છે, અને હવે હું તારા નાકમાં કડી અને તારા મુખમાં ગલ નાખીને તું જે રસ્તેથી આવ્યો તે જ રસ્તે તને પરત મોકલી દઈશ.” પછી યશાયાએ હિઝકિયા રાજાને કહ્યું, “હવે જે થવાનું છે તેની આ નિશાની છે: આ વર્ષે અને આવતે વર્ષે તમે માત્ર આપમેળે ઊગી નીકળેલું અનાજ ખાશો, પણ તે પછીના વર્ષમાં તમે તમારું અનાજ વાવશો અને કાપણી કરશો; દ્રાક્ષવેલા રોપશો અને દ્રાક્ષ ખાશો.” યહૂદિયામાં બચી ગયેલા લોકો જમીનમાં ઊંડે સુધી મૂળ પ્રસારશે અને ઉપર ડાળી ફેલાવીને ફળવંત થશે. યરુશાલેમમાંથી અને પવિત્ર પર્વત સિયોનમાંથી બચી ગયેલા લોકોનું વૃંદ બહાર નીકળી આવશે. પ્રભુની તમન્‍નાથી એવું થશે.” “આશ્શૂરના સમ્રાટ માટે તો પ્રભુએ આમ કહ્યું છે: ‘તે ન તો આ શહેરમાં પ્રવેશશે કે ન તો તેના પર એક બાણ મારશે. શહેરની પાસે કોઈ ઢાલધારી સૈનિકો આવશે નહિ અથવા તેની આસપાસ ઘેરો ઘાલી આક્રમણ કરવાના મોરચા ઊભા કરશે નહિ. શહેરમાં દાખલ થયા વિના જ તે જે રસ્તેથી આવ્યો હતો તે રસ્તે પાછો જશે. હું પ્રભુ એ બોલ્યો છું. મારે પોતાને લીધે અને મારા સેવક દાવિદને મેં આપેલા વચનને લીધે હું આ શહેરનો બચાવ કરીશ.” તે રાત્રે પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોની ક્તલ કરી. બીજે દિવસે સવારે તો તેઓ સૌ ત્યાં મરેલા પડયા હતા. ત્યારે આશ્શૂરનો સમ્રાટ સાન્હેરિબ પાછો નીનવે જતો રહ્યો. એક દિવસે તે પોતાના દેવ નિસ્રોખની પૂજા કરી રહ્યો હતો ત્યારે તેના બે પુત્રો આદ્રામેલેખ અને શારસેરે તેનો તલવારથી સંહાર કર્યો અને ત્યાંથી અરારાટ દેશમાં નાસી ગયા. તેના પછી તેનો પુત્ર એસાર્હેદોજન સમ્રાટ બન્યો. એ અરસામાં હિઝકિયા રાજા મરણતોલ બીમાર પડયો. આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ તેની પાસે જઈને કહ્યું, “તું તારા રાજકારભારનો પ્રબંધ કર એવું પ્રભુ કહે છે. કારણ, તું સાજો થવાનો નથી; પણ મૃત્યુ પામવાનો છે.” હિઝકિયાએ દીવાલ તરફ મોં રાખીને પ્રાર્થના કરી: “હે પ્રભુ, મેં વિશ્વાસુપણે અને હૃદયની પૂરી નિષ્ઠાથી તમારી સેવા કરી છે. હું હમેશાં તમારી ઇચ્છા પ્રમાણે વર્ત્યો છું. તો એ બધાંનું સ્મરણ કરો એવી મારી અરજ છે.” એમ કહીને હિઝકિયા બહુ રડયો. યશાયા રાજા પાસેથી ગયો, પણ તે રાજમહેલનો મયખંડ પસાર કરે તે પહેલાં પ્રભુએ તેને પાછા જઈને ઈશ્વરના લોકોના શાસક હિઝકિયા રાજાને આ સંદેશ આપવા જણાવ્યું: “મેં પ્રભુએ એટલે તારા પૂર્વજ દાવિદના ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને સાજો કરીશ અને ત્રણ દિવસમાં તો તું મંદિરમાં જશે. હું તારા આયુષ્યમાં બીજાં પંદર વર્ષ વધારીશ. આશ્શૂરના સમ્રાટના હાથમાંથી તને અને આ યરુશાલેમ શહેરને બચાવીશ. મારા પોતાના સન્માનને લીધે અને મારા સેવક દાવિદને મેં આપેલા વચનને લીધે હું આ શહેરનું રક્ષણ કરીશ.” પછી યશાયાએ રાજાના સેવકોને કહ્યું કે, “અંજીરની લાહી બનાવી તેના ગૂમડાં પર લગાવો એટલે તે સાજો થઈ જશે.” હિઝકિયા રાજાએ પૂછયું, “હું સાજો થઈ જઈશ અને ત્રણ દિવસ પછી પ્રભુના મંદિરમાં જઈ શકીશ એની કોઈ નિશાની ખરી?” યશાયાએ કહ્યું, “પ્રભુ પોતાનું વચન પાળશે એની સાબિતીરૂપે તે તને નિશાની આપશે. હવે તું પોતે પસંદ કર: સમયદર્શક સીડી પર છાંયડો દશ પગથિયાં આગળ જાય કે દશ પગથિયાં પાછળ જાય?” હિઝકિયાએ જવાબ આપ્યો, “છાંયડો દશ પગથિયાં આગળ જાય એ તો સહેલું છે. એને દશ પગથિયાં પાછળ જવા દો.” યશાયાએ પ્રભુને પ્રાર્થના કરી, એટલે આહાઝ રાજાએ ઊભી કરેલી સમયદર્શક સીડીમાં છાંયડો દશ પગથિયાં પાછળ ગયો. એ જ અરસામાં બેબિલોનના રાજા એટલે બાલાદાનના પુત્ર બરોદાખ- બાલાદાને સાંભળ્યું કે હિઝકિયા રાજા બીમાર છે. તેથી તેણે તેના પર પત્ર લખ્યો અને ભેટ મોકલી આપી. હિઝકિયાએ રાજદૂતોનું સ્વાગત કર્યું અને તેમને પોતાની સઘળી સંપત્તિ એટલે રૂપું, સોનું, તેજાના, અત્તરો અને તેનો સર્વ લશ્કરી શસ્ત્રસંરજામ એ બધું બતાવ્યાં. તેમને પોતાના મહેલમાં કે આખા રાજ્યમાં જે જે ભંડારો હતા તેમાંથી કશું બતાવવાનું બાકી રાખ્યું નહિ. પછી સંદેશવાહક યશાયાએ હિઝકિયા રાજા પાસે જઈને તેને પૂછયું, “આ માણસો ક્યાંથી આવ્યા છે, અને તેમણે તને શું કહ્યું છે?” હિઝકિયાએ જવાબ આપ્યો, “તેઓ દૂર દેશથી એટલે બેબિલોનથી આવ્યા છે.” યશાયાએ પૂછયું, “તેમણે રાજમહેલમાં શું શું જોયું.” રાજાએ કહ્યું, “તેમણે સઘળું જોયું છે. તેમને ભંડારમાંથી બતાવવાનું કશું બાકી રાખ્યું નથી.” યશાયાએ તેને કહ્યું, “તો હવે સર્વસમર્થ પ્રભુનો સંદેશ સાંભળો: ‘એવો દિવસ આવી રહ્યો છે જ્યારે તારા રાજમહેલની સર્વ સંપત્તિ, એટલે આજ દિન સુધી તારા પૂર્વજોની સંઘરી રાખેલી સર્વ સંપત્તિ લૂંટીને બેબિલોન લઈ જવાશે; કશું બાકી રખાશે નહિ. તારા પોતાના કેટલાક નજીકના વંશજોને અહીંથી લઈ જઈને તેમને બેબિલોનના રાજાના રાજમહેલમાં વ્યંડળ નોકરો બનાવવામાં આવશે.” હિઝકિયા રાજાએ એ સંદેશનો એવો અર્થ ઘટાવ્યો કે તેના પોતાના જીવનકાળ દરમ્યાન તો શાંતિ અને સલામતી રહેશે. તેથી તેણે પ્રત્યુત્તર પાઠવ્યો, “પ્રભુ તરફથી તેં મોકલાવેલો સંદેશ સારો છે.” હિઝકિયા રાજાનાં અન્ય કાર્યો, તેનાં પરાક્રમી કામો, અને તેણે બાંધેલ જળાશય તથા શહેરમાં પાણી પહોંચાડવા ખડકમાં ખોદાવેલ ભૂગર્ભ જળમાર્ગ વિષેનું વર્ણન યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. હિઝકિયા મરણ પામ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર મનાશ્શા રાજા બન્યો. મનાશ્શા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે બાર વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં રહીને પંચાવન વર્ષ રાજ્ય કર્યું. તેની માતાનું નામ હેફસીબાહ હતું. ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ પ્રભુએ દેશમાંથી હાંકી કાઢેલી પ્રજાઓના ઘૃણાસ્પદ રીતરિવાજો અનુસરીને મનાશ્શાએ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. તેના પિતા હિઝકિયાએ તોડી પાડેલાં પૂજાનાં ઉચ્ચસ્થાનોને તેણે ફરી બંધાવ્યાં. ઇઝરાયલના રાજા આહાબની જેમ તેણે બઆલની પૂજા માટે વેદીઓ બનાવી અને અશેરા દેવીની પ્રતિમા બનાવી. વળી, મનાશ્શાએ આકાશનાં નક્ષત્રમંડળોની પણ પૂજા કરી. પ્રભુએ જ્યાં તેમના નામનું ભજન કરવા ફરમાવ્યું હતું તે યરુશાલેમના મંદિરમાં તેણે વિધર્મી વેદીઓ બંધાવી. મંદિરના બે ચોકમાં તેણે નક્ષત્રમંડળોની પૂજા માટે વેદીઓ બનાવી. તેણે પોતાના પુત્રનું દહનબલિ તરીકે અર્પણ ચડાવ્યું. તેણે ઘંતરમંતર અને જાદુક્રિયા આચરી અને જોશ જોનારા તથા પ્રેતાત્માઓનો સંપર્ક સાયો. તેણે પ્રભુની વિરુદ્ધ ભયંકર પાપકર્મો કરીને તેમનો રોષ વહોરી લીધો. તેણે મંદિરમાં અશેરા દેવીની મૂર્તિ મૂકી! મંદિર વિષે તો પ્રભુએ દાવિદ અને તેના પુત્ર શલોમોનને આવી સૂચના આપી હતી: “ઇઝરાયલના બાર કુળપ્રદેશોમાંથી અહીં યરુશાલેમમાં, આ મંદિરને મારા નામની ભક્તિના સ્થાન તરીકે પસંદ કર્યું છે. જો મારા ઇઝરાયલી લોકો મારી સર્વ આજ્ઞાઓ પાળશે અને મારા સેવક મોશેએ આપેલા સમગ્ર નિયમનું પાલન કરશે, તો તેમના પૂર્વજોને મેં આપેલા દેશમાંથી હું તેમને હાંકી કાઢીશ નહિ.” પણ યહૂદિયાના લોકોએ પ્રભુનું માન્યું નહિ. એને બદલે, પોતાના લોકને દેશમાં વસાવવા પ્રભુએ હાંકી કાઢેલી પ્રજાઓના કરતાંયે તેમણે મનાશ્શાની દોરવણીથી વિશેષ ભયંકર દુરાચરણ કર્યાં. પ્રભુએ પોતાના સેવકો એટલે સંદેશવાહકો મારફતે કહેવડાવ્યું, “મનાશ્શાએ કનાનીઓ કરતાં પણ વધારે ઘૃણાસ્પદ કામો કર્યાં છે, અને પોતે સ્થાપેલી મૂર્તિઓની પૂજા કરવાના પાપમાં યહૂદિયાના લોકોને દોર્યા છે. તેથી હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ, યરુશાલેમ અને યહૂદિયા પર એવી ભારે આફત લાવવાનો છું કે એ વિષે સાંભળનાર સૌ કોઈ સ્તબ્ધ થઈ જશે. મેં જે માપ દોરીથી સમરૂનનો અને જે ઓળંબે આહાબના રાજ્યનો ન્યાય કરીને સજા કરી એ જ ધોરણે હું યરુશાલેમને સજા ફટકારીશ. જેમ કોઈ થાળી સાફ કરીને ઊંધી વાળી દે તેમ હું યરુશાલેમના લોકને સફાચટ કરી દઇશ. બચી ગયેલા લોકોનોય હું ત્યાગ કરીશ, અને તેમને તેમના દેશને જીતી લઈને તેને ખૂંદી નાખનાર તેમના શત્રુઓના હવાલે કરી દઈશ. હું મારા લોકની એવી દશા કરીશ; કારણ, તેમના પૂર્વજો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારથી આજ દિન સુધી ભયંકર દુરાચારથી તેમણે મને કોપાયમાન કર્યો છે.” યહૂદિયાના લોકોને મૂર્તિપૂજા તરફ પ્રેરીને તેમને પ્રભુ વિરુદ્ધ દુરાચરણમાં દોરી જવા ઉપરાંત મનાશ્શાએ કેટલાય નિર્દોષ માણસોનો સંહાર કર્યો, જેને લીધે યરુશાલેમની શેરીઓ લોહીથી તરબોળ થઈ ગઈ. મનાશ્શાનાં અન્ય કાર્યો અને તેનાં પાપ યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. મનાશ્શા મરણ પામ્યો અને તેને રાજમહેલની વાટિકામાં, એટલે ઉઝઝાની વાટિકામાં દફનાવવામાં આવ્યો, અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર આમોન રાજા બન્યો. આમોન યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે બાવીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં રહીને બે વર્ષ રાજ્ય કર્યું. તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું. તે યોટબા નગરના હારુસની પુત્રી હતી. તેના પિતા મનાશ્શાની જેમ આમોને પણ પ્રભુની નજરમાં ઘૃણાજનક દુરાચરણ કર્યું. તેણે તેના પિતાનું અનુકરણ કર્યું અને તેનો પિતા જે મૂર્તિઓને પૂજતો હતો તેની તેણે પણ પૂજા કરી. તેના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો તેણે નકાર કર્યો અને પ્રભુની ઇચ્છાને આધીન થયો નહિ. આમોનના અમલદારોએ તેની વિરુદ્ધ કાવતરું ઘડી કાઢયું અને તેના પર મહેલમાં જ હુમલો કરીને તેને મારી નાખ્યો. આમોનનાં ખૂનીઓને યહૂદિયાના લોકોએ મારી નાખ્યા અને આમોનના પુત્ર યોશિયાને રાજા બનાવ્યો. આમોનનાં બીજાં કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. આમોનને ઉઝ્ઝાની વાટિકામાં આવેલી કબરમાં દફનાવવામાં આવ્યો અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર યોશિયા રાજા બન્યો. યોશિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે આઠ વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં રહીને એકત્રીસ વર્ષ રાજ કર્યું. બોસ્કાથ નગરના અદાયાની પુત્રી યદીદા તેની માતા હતી. યોશિયાએ પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. તે પોતાના પૂર્વજ દાવિદ રાજાને સન્માર્ગે અનુસર્યો અને તેમાંથી આડોઅવળો ક્યાંયે ફંટાયો નહિ. યોશિયા રાજાએ તેના અમલના અઢારમા વર્ષમાં મશૂલ્લામના પુત્ર અસાલિયાના પુત્ર શાફાન મંત્રીને આવા આદેશ સાથે મંદિરમાં મોકલ્યો: “પ્રમુખ યજ્ઞકાર હિલકિયા પાસે જા અને મંદિરના પ્રવેશદ્વાર પર ફરજ બજાવતા યજ્ઞકારોએ લોકો પાસેથી એકત્ર કરેલા નાણાંનો અહેવાલ લઈ આવ. એ પૈસા મંદિરની મરામત માટે જવાબદાર હોય એ માણસોને તે આપે એવું જણાવજે. એમાંથી તેમણે સુથારો, સલાટો અને કડિયાઓને વેતન ચૂકવવું અને મરામત માટે લાકડું અને ખાણના પથ્થર ખરીદવાં. બાંધકામમાં રોક્યેલા મુકાદમો પ્રામાણિક હોવાથી તેમની પાસેથી નાણાંનો હિસાબ લેવાની જરૂર નથી.” રાજમંત્રી શાફાને મુખ્ય યજ્ઞકાર હિલકિયાને રાજાનો આદેશ જણાવ્યો. હિલકિયાએ તેને જણાવ્યું કે તેને મંદિરમાંથી નિયમનું પુસ્તક જડયું છે. હિલકિયાએ તેને એ પુસ્તક આપ્યું, એટલે શાફાને તે વાંચ્યું. પછી તેણે રાજા પાસે જઈને ખબર આપી: “તમારા સેવકોએ મંદિરના પૈસા મરામત કરાવનારાઓને આપ્યા છે.” વળી, તેણે કહ્યું, “હિલકિયાએ મને આ પુસ્તક આપ્યું છે.” પછી તેણે તે રાજા સમક્ષ મોટેથી વાંચી સંભળાવ્યું. રાજાએ નિયમના પુસ્તકમાંનાં વચનો સાંભળીને પોતાનાં વસ્ત્ર ફાડયાં. તેણે હિલકિયા યજ્ઞકારને, શાફાનના પુત્ર અહીકામને, મીખાયાના પુત્ર આખ્બોરને, મંત્રી શાફાનને અને રાજાના સેવક અસાયાને આવો આદેશ આપ્યો: “આ પુસ્તકના શિક્ષણ સંબંધી મારે માટે અને યહૂદિયાના સર્વ લોકો માટે પ્રભુને પૂછો. આપણા પૂર્વજો આ પુસ્તકમાં જે લખ્યું છે તે પ્રમાણે વર્ત્યા નથી અને તેથી પ્રભુ આપણા પર કોપાયમાન થયા છે.” હિલકિયા, અહીકામ, આખ્બોર, શાફાન અને અસાયા યરુશાલેમમાં નવા વસવાટમાં રહેતી હુલ્દા નામની સંદેશવાહિકા પાસે પૂછપરછ કરવા ગયા. (હાર્હાસના પુત્ર તિકવાનો પુત્ર શાલ્લૂમ તેનો પતિ હતો; તે મંદિરમાં ઝભ્ભાઓને લગતું કામ સંભાળતો હતો.) તેમણે તેને સઘળી વાત જણાવી. તેણે તેમને કહ્યું, “ઇઝરાયલના પ્રભુ આમ કહે છે: ‘તમને મારી પાસે પૂછવા મોકલનાર યહૂદિયાના રાજાને જઈને કહો કે તેં જે પુસ્તક વાંચ્યું છે તેમાં લખ્યા પ્રમાણે હું યરુશાલેમ અને તેના રહેવાસીઓ પર આફત ઉતારીશ.’ કારણ, તેમણે મારો ત્યાગ કર્યો છે અને બીજા દેવોની આગળ બલિનું દહન કર્યું છે અને મૂર્તિઓ ઘડીને મને કોપાયમાન કર્યો છે. તેથી આ સ્થાન પર મારો રોષ ભભૂકી ઊઠયો છે અને તે શમી જશે નહિ. ‘પણ તમને મારી પાસે પૂછવા મોકલનાર યહૂદિયાના રાજાનું હૃદય તો પસ્તાવિક છે અને તેણે પોતાને મારી સમક્ષ લીન કર્યો છે. યરુશાલેમ ઉજ્જડ બની જશે અને તેના રહેવાસીઓ શાપસૂચક બની જશે એવી મારી ધમકી સાંભળીને તે તો પોતાનાં વસ્ત્ર ફાડીને રડયો છે. મેં તેની પ્રાર્થના સાંભળી છે; તેથી હું તેને કહું છું કે, *** તું મૃત્યુ પામશે અને લોકો તને સન્માનપૂર્વક તારા પૂર્વજો સાથે દફનાવશે અને આ નગર પર હું જે વિપત્તિ લાવનાર છું તે તારે જોવી પડશે નહિ.” એ સંદેશ સાથે પેલા માણસો યોશિયા રાજા પાસે પાછા ફર્યા. યોશિયા રાજાએ યહૂદિયા અને યરુશાલેમના બધા આગેવાનોને એકત્ર કર્યા. યહૂદિયાના બધા લોકો, યરુશાલેમના રહેવાસીઓ, યજ્ઞકારો, સંદેશવાહકો અને નાનામોટા સૌની સાથે તે પ્રભુના મંદિરમાં ગયો. રાજાએ મંદિરમાંથી મળી આવેલ કરારનું આખું પુસ્તક તેમની આગળ વાંચી સંભળાવ્યું. રાજસ્તંભ પાસે ઊભા રહીને તેણે પ્રભુને આધીન થવા, પોતાના પૂરા મનથી અને જીવથી તેમના બધા નિયમો અને આજ્ઞાઓનું પાલન કરવા અને પુસ્તકમાં લખ્યા પ્રમાણે કરારની માગણીઓ વ્યવહારમાં મૂકવા પ્રભુની સાથે કરાર કર્યો. સર્વ લોકોએ એ કરારનું પાલન કરવા વચન આપ્યું. પછી યોશિયાએ પ્રમુખ યજ્ઞકાર હિલકિયા, તેના મદદનીશ યજ્ઞકારો અને મંદિરના પ્રવેશદ્વારના સંરક્ષકોને મંદિરમાંથી બઆલની, અશેરા દેવીની તથા નક્ષત્ર મંડળની પૂજા માટે વપરાતી સાધનસામગ્રી બહાર કાઢી નાખવા આદેશ આપ્યો. પછી રાજાએ એ બધી સાધનસામગ્રી યરુશાલેમ શહેર બહાર કિદ્રોનની ખીણમાં લઈ જઈને બાળી નાખી, અને પછી એની રાખ બેથેલ મોકલી આપી. યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમ નજીકનાં સ્થાનોમાં વિધર્મી વેદીઓ પર બલિદાન કરનારા સર્વ યજ્ઞકારો જેમને યહૂદિયાના અગાઉના રાજાઓએ નીમ્યા હતા અને જેઓ બઆલને, તેમ જ સૂર્ય, ચંદ્ર તથા ગ્રહોને અને નક્ષત્રમંડળને બલિદાન ચઢાવતા હતા તે બધાને યોશિયાએ દૂર કર્યા. તેણે મંદિરમાંથી અશેરા દેવીની પ્રતિમા કઢાવી નાખી અને તેને યરુશાલેમ બહાર કિદ્રોન ખીણમાં બાળી નાખી. તેની રાખને ધૂળમાં મેળવી દઈને તેને જાહેર કબ્રસ્તાનમાં વેરી નાખી. તેણે પ્રભુના મંદિરમાં પુરુષ અને સ્ત્રી વેશ્યાઓના નિવાસખંડ તોડી નાખ્યા. (ત્યાં જ સ્ત્રીઓ અશેરાની પૂજામાં વપરાતા ઝભ્ભા વણતી હતી.) યહૂદિયાનાં નગરોમાં વસતા યજ્ઞકારોને તે યરુશાલેમ લઈ આવ્યો, અને ગેબાથી બેરશેબા સુધી સમગ્ર દેશમાં તેમણે જ્યાં જ્યાં અર્પણો ચઢાવ્યાં હતાં તે બધી વેદીઓને તેણે તોડી પાડીને તેમને ભ્રષ્ટ કરી. નગરના રાજ્યપાલ યહોશુઆએ બાંધેલા દરવાજા પાસેની વેદી પણ તેણે તોડી પાડી. શહેરમાં પ્રવેશતાં મુખ્ય દરવાજાની ડાબી તરફ એ દરવાજો હતો. એ વેદીના યજ્ઞકારોને મંદિરની સેવામાં દાખલ કરવામાં આવ્યા નહિ, પણ તેઓ તેમના સાથી યજ્ઞકારોને મળતી યરુશાલેમમાં મંદિરમાંની પ્રભુની વેદીને લગતી ખમીર વિનાની રોટલીમાંથી ખાઈ શક્તા. યોશિયા રાજાએ હિન્‍નોમ ખીણમાં આવેલા વિધર્મી પૂજાસ્થાન તોફેથને પણ ભ્રષ્ટ કર્યું; જેથી કોઈ પોતાના પુત્રનું કે પુત્રીનું મોલેખ દેવતાને અગ્નિમાં બલિ ન ચઢાવે. સૂર્યપૂજા માટે યહૂદિયાના રાજાઓએ અર્પણ કરેલા ઘોડા તેણે દૂર કર્યા અને એ પૂજામાં વપરાતા રથ બાળી નાખ્યા. (એ બધા દરવાજા પાસે મંદિરના ચોકમાં અને નાથાન મેલેખ નામના ઉચ્ચ અધિકારીના નિવાસસ્થાનની નજીક રાખવામાં આવતા હતા.) આહાઝ રાજાના ખંડની અગાશીમાં યહૂદિયાના રાજાઓએ બાંધેલી વેદીઓ યોશિયા રાજાએ તોડી નાખી. સાથોસાથ મંદિરના બે ચોકમાં મનાશ્શા રાજાએ ઊભી કરેલી બે વેદીઓ પણ તોડી પાડી. તેણે વેદીઓના ચૂરેચૂરા કરી નાખીને તેમને કિદ્રોનની ખીણમાં નાખી દીધી. યરુશાલેમની પૂર્વ દિશામાં ઓલિવ પર્વતની દક્ષિણ તરફ સિદોનની દેવી આશ્તારોથ, મોઆબના દેવ કમોશ અને આમ્મોનના દેવ મોલખની ઘૃણાસ્પદ મૂર્તિઓની પૂજા માટે ઇઝરાયલના રાજા શલોમોને ઊભી કરાવેલી વેદીઓને યોશિયાએ ભ્રષ્ટ કરી. યોશિયા રાજાએ શિલાસ્તંભોના ચૂરેચૂરા કરી નાખ્યા અને અશેરા દેવીની પ્રતિમાનું ખંડન કર્યું, અને એનાં સ્થાન માણસોનાં હાડકાંથી ભરી દીધાં. ઇઝરાયલને મૂર્તિપૂજાના દુરાચારમાં દોરી જનાર નબાટના પુત્ર યરોબામ રાજાએ બેથેલમાં બાંધેલી વેદી અને પૂજા માટે બંધાવેલનું તેનું ઉચ્ચસ્થાન યોશિયાએ તોડી પાડયાં. યોશિયાએ તેની વેદીનું ખંડન કર્યું, પૂજાના ઉચ્ચસ્થાનના પથ્થરોના ટુકડેટુકડા કરી નાખ્યા અને તેમને ધૂળમાં ભેળવી દીધા. તેણે અશેરાની મૂર્તિને પણ બાળી નાખી. પછી યોશિયાએ પર્વત પર કેટલીક કબરો જોઈ; તેણે તેમાંથી હાડકાં કઢાવી મંગાવીને વેદી પર બાળ્યાં. એ રીતે તેણે વેદીને અશુદ્ધ કરી અને એમ તેણે ઘણા સમય પહેલાં ઉત્સવ દરમ્યાન યરોબામ રાજા વેદી પાસે ઊભો હતો ત્યારે ઈશ્વરભક્તે ઉચ્ચારેલી ભવિષ્યવાણી પ્રમાણે કર્યું. યોશિયા રાજાએ આમતેમ નજર ફેરવતાં તેણે એ ભવિષ્યવાણી કરનાર સંદેશવાહકની કબર જોઈ. તેણે પૂછયું, “પેલું સ્મારક શાનું છે?” બેથેલના લોકોએ તેને કહ્યું, “એ તો તેં આ વેદીને જે કર્યું તે અંગેની ભવિષ્યવાણી ભાખનાર ઈશ્વરભક્તની કબર છે.” યોશિયાએ હુકમ કર્યો, “તેને યથાવત્ રહેવા દો. એનાં હાડકાં ત્યાંથી હટાવવાનાં નથી.” તેથી તે સંદેશવાહકનાં કે સમરૂનમાંથી આવેલા સંદેશવાહકનાં હાડકાં ત્યાંથી હટાવવામાં આવ્યાં નહિ. ઈઝરાયલના રાજાઓએ સમરૂનના પ્રત્યેક નગરમાં પૂજાનાં ઉચ્ચસ્થાન બંધાવીને પ્રભુને કોપાયમાન કર્યા હતા. યોશિયા રાજાએ એ બધાં તોડી પાડયાં. તેણે એ વેદીઓના સંબંધમાં પણ બેથેલની વેદી જેવું જ કર્યું. તેણે વિધર્મી યજ્ઞકારોને તેમના પૂજાનાં ઉચ્ચસ્થાન ઉપર જ મારી નાખ્યા અને પ્રત્યેક વેદી પર માણસનાં હાડકાં બાળ્યાં. પછી તે યરુશાલેમ પાછો આવ્યો. યોશિયા રાજાએ કરારના પુસ્તકમાં લખ્યા પ્રમાણે લોકોને તેમના ઈશ્વર પ્રભુના માનમાં પાસ્ખાપર્વ ઉજવવાનો આદેશ આપ્યો. દેશ પર ન્યાયાધીશો અમલ ચલાવતા હતા તે સમયથી માંડીને ઇઝરાયલના કે યહૂદિયાના કોઈ રાજાએ એવા પાસ્ખાપર્વની ઉજવણી ક્યારેય કરી નહોતી. હવે, છેવટે યોશિયા રાજાના અમલના અઢારમે વર્ષે યરુશાલેમમાં પ્રભુના માનાર્થે પાસ્ખાપર્વની ઉજવણી થઈ. પ્રમુખ યજ્ઞકાર હિલકિયાને મંદિરમાંથી જડી આવેલ પુસ્તકમાં લખેલા નિયમો અમલમાં આવે તે માટે યોશિયા રાજાએ યરુશાલેમ અને યહૂદિયાના બાકીના બધા ભાગમાંથી પ્રેતાત્માનો સંપર્ક સાધનારા અને જોશીઓને તેમ જ સર્વ ઘરદેવતાઓને, મૂર્તિઓને અને વિધર્મી પૂજાની સર્વ સાધનસામગ્રી દૂર કર્યાં. મોશેના સમગ્ર નિયમનું પાલન કરીને પોતાના પૂરા દયથી, પૂરા મનથી અને પૂરી શક્તિથી પ્રભુની સેવા કરી હોય એવો તેના જેવો રાજા તેની પહેલાં કે તેના પછી થયો નથી. પણ મનાશ્શા રાજાનાં કાર્યોથી યહૂદિયા પર સળગી ઊઠેલો પ્રભુનો ભારે કોપ હજી શમી ગયો નહોતો. પ્રભુએ કહ્યું, “મેં જેવું ઇઝરાયલને કર્યું તેવું જ હું યહૂદિયાને કરીશ; હું મારી નજર આગળથી યહૂદિયાના લોકોને કાઢી મૂકીશ, અને મેં પસંદ કરેલ યરુશાલેમ શહેરનો અને મારા નામનું ભજન કરવા માટે મેં જેને પસંદ કર્યું હતું તે મંદિરનો હું ત્યાગ કરીશ.” યોશિયા રાજાનાં કૃત્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. યોશિયા રાજા હતો ત્યારે આશ્શૂરના રાજાને મદદ કરવા માટે ઇજિપ્તનો રાજા નેખો મોટું સૈન્ય લઈને યુફ્રેટિસ નદી પર ગયો. યોશિયા રાજાએ ઇજિપ્તના સૈન્યનો મગિદ્દો આગળ સામનો કર્યો. પણ તે લડાઈમાં માર્યો ગયો. તેના અમલદારો તેના શબને રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા અને ત્યાં તેને પોતાની કબરમાં દફનાવવામાં આવ્યો. યહૂદિયાના લોકોએ યોશિયાના પુત્ર યહોઆઝનો તેની જગ્યાએ રાજ્યાભિષેક કર્યો. યહોઆઝ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં રહીને ત્રણ માસ રાજ કર્યું. લિબ્નાના યર્મિયાની પુત્રી હમૂટાલ તેની માતા હતી. તેણે પોતાના પૂર્વજોનું અનુકરણ કરીને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. ઇજિપ્તનો રાજા નેખો તેને પકડીને હમાથ પ્રદેશના રિબ્બામાં લઈ ગયો, એટલે તેના અમલનો અંત આવ્યો. નેખોએ યહૂદિયા પર 3.4 ટન રૂપાની અને 3.4 કિલો સોનાની ખંડણી નાખી. ઇજિપ્તના રાજા નેખોએ યોશિયાના પુત્ર એલિયાકીમને યોશિયાના અનુગામી તરીકે યહૂદિયાનો રાજા બનાવ્યો, અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. યહોઆઝને તો ઇજિપ્ત લઈ જવામાં આવ્યો અને યહોઆઝ ત્યાં મૃત્યુ પામ્યો. યહોયાકીમે ઇજિપ્તના રાજાએ નાખેલી ખંડણી પેટે સોનુંચાંદી આપ્યાં. પણ તે માટે તેણે લોકો પર વેરો નાખ્યો અને પ્રત્યેક વ્યક્તિની સંપત્તિની આકારણી પ્રમાણે વેરો ઉઘરાવ્યો. યહોયાકીમ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે પચ્ચીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં રહીને અગિયાર વર્ષ રાજ કર્યું. રૂમા નગરના પેદીદાની પુત્રી ઝબિદા તેની માતા હતી. પોતાના પૂર્વજોનું અનુકરણ કરીને યહોયાકીમે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. યહોયાકીમ રાજા હતો ત્યારે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા પર આક્રમણ કર્યું અને ત્રણ વર્ષ સુધી યહોયાકીમે તેને આધીન રહેવું પડયું. પણ પછી તેણે બળવો કર્યો. પ્રભુએ પોતાના સેવકો સંદેશવાહકો દ્વારા કહ્યું હતું તેમ તેમણે યહૂદિયાનો નાશ કરવા ખાલદીઓ, અરામીઓ, મોઆબીઓ અને આમ્મોનીઓની શસ્ત્રસજિત ટોળીઓ યહોયાકીમ વિરુદ્ધ મોકલી. મનાશ્શા રાજાએ જે સઘળાં પાપકર્મો કર્યાં હતાં તેને લીધે પ્રભુની નજર આગળથી યહૂદિયાના લોકોને દૂર હાંકી કાઢવા માટે પ્રભુની આજ્ઞાથી એ બન્યું. ખાસ કરીને તો મનાશ્શાએ ઘણા નિર્દોષ માણસોને મારીને યરુશાલેમને લોહીથી તરબોળ કરી દીધું હતું એને લીધે એવું બન્યું હતું. પ્રભુ તેને તેની ક્ષમા આપવા રાજી નહોતા. યહોયાકીમનાં સર્વ કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. યહોયાકીમ મરણ પામ્યો અને તેની જગ્યાએ તેના પછી તેનો પુત્ર યહોયાખીન રાજા બન્યો. ઇજિપ્તનો રાજા અને તેનું સૈન્ય તે પછી ક્યારેય ઇજિપ્તમાંથી કૂચ કરી બહાર આવ્યું નહિ. કારણ, યુફ્રેટિસ નદીથી ઇજિપ્તની ઉત્તર સરહદ સુધીનો ઇજિપ્તનો સઘળો પ્રદેશ હવે બેબિલોનના રાજાની હકૂમત હેઠળ હતો. યહોયાખીન રાજા બન્યો ત્યારે તે અઢાર વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં રહીને ત્રણ માસ રાજ કર્યું. યરુશાલેમના એલનાથાનની પુત્રી નેહુશ્તા તેની માતા હતી. પોતાના પિતાનું અનુકરણ કરીને યહોયાખીને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. એના અમલ દરમ્યાન નબૂખાદનેસ્સાર રાજાના લશ્કરી અમલદારોની આગેવાની હેઠળ બેબિલોનના સૈન્યે યરુશાલેમ પર આક્રમણ કરીને તેને ઘેરો ઘાલ્યો. ઘેરા દરમ્યાન નબૂખાદનેસ્સાર રાજા પોતે યરુશાલેમ આવ્યો. યહોયાખીન રાજા તેમ જ તેની માતા, તેના પુત્રો, તેના દરબારીઓ, તેના રાજમહેલના અધિકારીઓ બેબિલોનના રાજાને શરણે ગયા. નબૂખાદનેસ્સારે પોતાના અમલના આઠમા વર્ષમાં યહોયાખીનને કેદ કરી લીધો. અને તે પ્રભુના મંદિર તથા રાજમહેલનો સઘળો ખજાનો બેબિલોન લઈ ગયો. પ્રભુએ અગાઉથી જણાવ્યું હતું તેમ શલોમોન રાજાએ પ્રભુના મંદિરને માટે બનાવડાવેલાં સોનાનાં સઘળાં પાત્રો ભાંગી નાખ્યાં. નબૂખાદનેસ્સાર આખા યરુશાલેમમાંથી સર્વ રાજકુંવરો અને શૂરવીર લડવૈયા સહિત દસ હજાર બંદિવાનોને તથા બધા કારીગરો તથા લુહારોને લઈ ગયો; દેશના સાવ કંગાલ લોકોને જ તેણે પડતા મૂક્યા. નબૂખાદનેસ્સાર યહોયાખીન, તેની માતા, તેની પત્નીઓ, તેના અમલદારો અને યહૂદિયાના અગ્રણીઓને યરુશાલેમમાંથી બંદીવાનો તરીકે બેબિલોન લઈ ગયો. નબૂખાદનેસ્સાર લગભગ સાતેક હજાર જેટલા અગત્યના સઘળા માણસોને બેબિલોન લઈ ગયો. વળી, લુહારો સહિત એક હજાર કુશળ કારીગરોને લઈ ગયો; તેઓ સૌ યુદ્ધમાં જવાની લાયક્ત ધરાવતા સશક્ત માણસો હતા. નબૂખાદનેસ્સારે યહોયાખીનના કાકા માત્તાન્યાને યહૂદિયાનો રાજા બનાવ્યો અને તેણે તેનું નામ બદલીને સિદકિયા રાખ્યું. સિદકિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં રહીને અગિયાર વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્ના નગરના વતની યર્મિયાની પુત્રી હતી. યહોયાકીમ રાજાની જેમ સિદકિયા રાજાએ પણ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. યરુશાલેમ અને યહૂદિયાના લોકોએ પ્રભુને એટલા કોપાયમાન કર્યા કે છેવટે પ્રભુએ તેમને પોતાની નજર આગળથી હાંકી કાઢયા. સિદકિયાએ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર સામે વિદ્રોહ કર્યો. તેથી સિદકિયાના અમલના નવમા વર્ષના દસમા મહિનાના દસમે દિવસે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે પોતાનું પૂરું લશ્કર મોકલીને યરુશાલેમ પર આક્રમણ કર્યું. તેમણે નગરને ઘેરો ઘાલ્યો અને તેની સામે ચારેબાજુ મોરચા ઊભા કર્યા. સિદકિયા રાજાના અગિયારમા વર્ષ સુધી નગરને ઘેરો ચાલુ રહ્યો. એ જ વર્ષના ચોથા માસને નવમે દિવસે એવો કારમો ભૂખમરો હતો કે લોકો પાસે કંઈ ખોરાક બચ્યો નહોતો. તેથી નગરકોટમાં બાકોરું પાડવામાં આવ્યું, અને ખાલદીઓનું લશ્કર નગરની ચારે બાજુ ઘેરો ઘાલીને પડયું હોવા છતાં કેટલાક સૈનિકો રાત્રે નાસી છૂટયા. તેમણે રાજઉદ્યાનને માર્ગે બે દીવાલોની વચ્ચેના પ્રવેશદ્વાર મારફતે અરાબા એટલે યર્દનના ખીણપ્રદેશ તરફ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો. પણ ખાલદીઓના સૈન્યે સિદકિયા રાજાનો પીછો કર્યો અને તેને યરીખોના મેદાનમાં પકડી પાડયો. તેના સઘળા સૈનિકો તેને છોડીને આમતેમ નાસી ગયા. નબૂખાદનેસ્સાર રાજા ત્યારે રિબ્બા નગરમાં હતો. તેથી તેઓ સિદકિયાને ત્યાં તેની પાસે લઈ ગયા. નબૂખાદનેસ્સાર રાજાએ ત્યાં તેને સજા ફટકારી. સિદકિયાના દેખતાં તેના પુત્રોને મારી નાખવામાં આવ્યા; પછી નબૂખાદનેસ્સારે સિદકિયાની આંખો ફોડી નંખાવી અને તેને સાંકળે બાંધીને બેબિલોન લઈ ગયો. બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના અમલના ઓગણીસમા વર્ષના પાંચમા માસને સાતમે દિવસે, બેબિલોનના રાજાના અંગત સલાહકાર અને અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાને યરુશાલેમમાં પ્રવેશ કર્યો. તેણે પ્રભુનું મંદિર, રાજમહેલ અને યરુશાલેમનાં મોટાં મોટાં બધાં મકાનો બાળી નાખ્યાં. વળી, અંગરક્ષકદળના વડાના નિયંત્રણ હેઠળના ખાલદીઓના લશ્કરે યરુશાલેમની ચારે બાજુના કોટની બધી દીવાલો તોડી પાડી. અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને તેમજ ખાલદીઓને શરણે ગયેલા બધા લોકોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો. પણ તેણે દેશના સાવ કંગાલ લોકોને દ્રાક્ષવાડીઓ સાચવવા અને ખેતરમાં મજૂરી કરવા માટે ત્યાં રહેવા દીધા. ખાલદીઓએ પ્રભુના મંદિરના તાંબાના સ્તંભો, જળગાડીઓ અને જળકુંડ ભાંગી નાખ્યાં અને બધું તાંબુ બેબિલોન લઈ ગયા. વળી, તેઓ ભસ્મપાત્રો, પાવડા, ચીપિયા, રક્તપાત્રો અને તાંબાના અન્ય તમામ વાસણો પણ લઈ ગયા. અંગરક્ષકદળનો વડો સોનારૂપાનાં મૂલ્યવાન પાત્રો એટલે અંગારપાત્રો અને રક્તપાત્રો લઈ ગયો. શલોમોન રાજાએ પ્રભુના મંદિરને માટે બનાવડાવેલ બે સ્તંભો, જળકુંડ અને જળગાડીઓમાં વપરાયેલ તાંબુ તોળી ન શકાય એટલું બધું હતું. બન્‍ને તામ્રસ્તંભ એક્સરખા હતા. પ્રત્યેક સ્તંભ આશરે આઠ મીટર ઊંચો હતો અને તેની ટોચે તાંબાનો કળશ હતો. કળશની ઊંચાઈ 1.3 મીટરની હતી અને તેના પર દાડમોનું નકશીકામ કોતરેલું હતું. 1.3 મીટર ઊંચાઈનો કળશ હતો. કળશની ચારે તરફ પિત્તળનાં દાડમનું કોતરકામ હતું. વળી, અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન મુખ્ય યજ્ઞકાર સરાયાને તેના પછીના દરજ્જાના યજ્ઞકાર સફાન્યાને અને મંદિરના બીજા ત્રણ મહત્ત્વના દ્વારપાળ યજ્ઞકારોને લઈ ગયો. તેણે નગરમાંથી સેનાપતિને, નગરમાં ઉપસ્થિત રાજાના પાંચ અંગત સલાહકારોને, લશ્કરી ભરતીનું કામ કરનાર સેનાનાયકને અને નગરના જમીનદાર વર્ગના અગ્રગણ્ય સાઠ માણસોને પણ પકડી લીધા. નબૂઝારઅદાન તેમને હમાથના પ્રદેશના રિબ્બા નગરમાં બેબિલોનના રાજા પાસે લઈ ગયો. ત્યાં બેબિલાનના રાજાએ તેમને મારપીટ કરીને મારી નંખાવ્યા. એમ યહૂદિયાના લોકોનો દેશનિકાલ થયો. બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને યહૂદિયાનો રાજ્યપાલ બનાવ્યો અને જેમને બેબિલોન લઈ જવામાં ન આવ્યા તે બધાને તેની દેખરેખ હેઠળ મૂક્યા. યહૂદિયાના અમલદારો અને સૈનિકોમાંથી જે શરણે ગયા નહોતા તેમણે એ સાંભળ્યું. તેઓ મિસ્પામાં ગદાલ્યા સાથે જોડાયા. આ અમલદારોમાં નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, યોહાનાનનો પુત્ર કારેયા, નયેશ નગરના તાન હુમેથનો પુત્ર સરાયા અને માઅખાનો યઝાન્યા હતા. ગદાલ્યાએ તેમને શપથપૂર્વક કહ્યું, “હું તમને ખાતરીપૂર્વક જણાવું છું કે ખાલદીઓના અમલદારોથી તમારે ડરવાની કંઈ જરૂર નથી. આ દેશમાં જ વસો, બેબિલોનના રાજાની સેવા કરો એટલે, તમારું હિત થશે.” પણ એ જ વર્ષના સાતમા માસમાં રાજવીકુટુંબના એલિશામાના પુત્ર નથાન્યાના પુત્ર ઇશ્માએલે દસ માણસો સાથે મિસ્પા જઈને ગદાલ્યા પર હુમલો કરી તેને મારી નાખ્યો. તેની સાથેના ઇઝરાયલીઓ તથા ખાલદીઓને પણ તેણે મારી નાખ્યા. પછી ગરીબતવંગર સર્વ ઇઝરાયલીઓ અને સૈન્યના અમલદારો ત્યાંથી ઇજિપ્ત જતા રહ્યા, કારણ, તેઓ ખાલદીઓથી ગભરાતા હતા. યહૂદિયાના રાજા યહોયાખીનના દેશનિકાલના સાડત્રીસમા વર્ષના બારમા મહિનાના સતાવીસમા દિવસે બેબિલોનના રાજા એવીલ-મેરાદાખે તેના રાજ્યાભિષેકના વર્ષમાં યહોયાખીન પ્રત્યે સદ્ભાવ દાખવ્યો અને તેને કેદમાંથી મુક્ત કર્યો. એવીલ-મેરાદાખે તેની સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરી અને બેબિલોનમાં દેશનિકાલ થયેલા જે અન્ય રાજાઓ હતા તેમના કરતાં તેને વિશેષ ઊંચું સ્થાન આપ્યું. યહોયાખીનનાં કેદી તરીકેનાં વસ્ત્રો બદલાવી નાખવામાં આવ્યાં અને તે તેના બાકીના જીવનમાં રાજાની સાથે ભોજન લેતો. તેને તેના જીવનનિર્વાહ માટે બેબિલોનના રાજા તરફથી નિયત કરેલું દૈનિક ભથ્થું જીવનભર આપવામાં આવ્યું; જે તેને તેના મૃત્યુના દિવસ સુધી મળતું રહ્યું. આદમ શેથનો પિતા હતો, શેથ અનોશનો પિતા હતો, અનોશ કેનાનનો પિતા હતો, કેનાન માહલાલએલનો પિતા હતો, માહલાલએલ યારેદનો પિતા હતો, યારેદ હનોખનો પિતા હતો, હનોખ મથૂશેલાનો પિતા હતો, મથૂશેલા લામેખનો પિતા હતો, લામેખ નૂહનો પિતા હતો. નૂહને ત્રણ પુત્રો હતા: શેમ, હામ અને યાફેથ. યાફેથના પુત્રો: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તિરાશ. ગોમેરના પુત્ર: આશ્કનાજ, રીફાથ તથા તોગાર્મા. યાવાનના પુત્રો: એલિશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ. હામના પુત્રો: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન. કૂશના પુત્રો: સાબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના પુત્રો: શબા તથા દદાન. કૂશને નિમ્રોદ નામે એક પુત્ર હતો; જે પૃથ્વી પર પ્રથમ મહાન વિજેતા બન્યો. મિસરાઈમથી લૂદ્દીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ, પાથ્રુસીમ, ક્સ્લુહીમ (તે પલિસ્તીઓનો પૂર્વજ છે) તથા કાફતોરીમ થયા. કનાનના પુત્રો: તેના જયેષ્ઠ પુત્ર સિદોન પછી હેથ, યબૂસી, અમોરી, ગિર્ગાશી. હિવ્વી, આર્કી, સીની, આર્વાદી, સમારી તથા હમાથી. શેમના પુત્રો: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ. આર્પાકશાદ શેલાનો પિતા હતો, શેલા એબેરનો પિતા હતો. એબેરને બે પુત્ર હતા: એકનું નામ પેલેગ પાડયું હતું; કારણ, તેના સમયમાં પૃથ્વીના વિભાગ થઈ ગયા હતા. બીજા પુત્રનું નામ યોકટાન હતું. યોકટાનના પુત્રો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરા. હદોરામ, ઉઝાલ, દિકલા; એબાલ, અલીમાએલ, શબા; ઓફીર, હવીલા તથા યોબાબ. શેમથી અબ્રામ સુધીની વંશાવળી આ પ્રમાણે છે: શેમ, આર્પાકશાદ, શેલા; એબેર, પેલેગ, રેઉ; સરૂગ, નાહોર, તેરા; અબ્રામ (એટલે અબ્રાહામ). અબ્રાહામને બે પુત્રો હતા: ઇસ્હાક તથા ઇશ્માએલ. તેમની વંશાવળી આ પ્રમાણે છે: ઇશ્માએલના પુત્રો: નબાયોથ જયેષ્ઠપુત્ર, પછી કેદાર, આદબએલ, મિબ્સામ, મિશ્મા, દૂમા, માસ્સા, હદાદ, તેમા; યટુર, નાફીશ તથા કેદમા. અબ્રાહામની ઉપપત્ની કટૂરાથી જન્મેલા તેના પુત્રો: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક, તથા સૂઆ. યોકશાનના પુત્રો: શબા તથા દદાન. મિદ્યાનના પુત્રો: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાઆ. અબ્રાહામના પુત્ર ઇસ્હાકને બે પુત્રો હતા - એસાવ અને ઇઝરાયલ. એસાવના પુત્રો: એલિફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ, તથા કોરા. એલિફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાજ, તિમ્ના તથા અમાલેક. રેઉએલના પુત્રો: નાહાથ, ઝેરા, શામ્મા તથા મિઝઝા. સેઇરના પુત્રો: લોટાન, શોબાલ, સિબ્યોન, અના, દિશોન, એસેર તથા દીશાન. લોટાનના પુત્રો: હોરી તથા હોમામ; તિમ્ના લોટાનની બહેન હતી. શોબાલના પુત્રો: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબ્યોનના પુત્રો: આથા તથા અના. અનાનો પુત્ર: દિશોન. દિશોનના પુત્રો: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા કરાન. એસેરના પુત્રો: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના પુત્રો: ઉસ તથા આરાન. ઇઝરાયલીઓ પર કોઈ પણ રાજાએ રાજ કર્યું તે પહેલાં અદોમ દેશમાં રાજ કરનાર રાજાઓ આ પ્રમાણે છે: બેઓરનો પુત્ર બેલા; તેના નગરનું નામ દીનહાબા હતું. બેલા મરણ પામ્યો એટલે તેની જગાએ બોસ્રા નગરના ઝેરાના પુત્ર યોબાબે રાજ કર્યું. યોબાબ મરણ પામ્યો એટલે તેની જગાએ તેમાનના પ્રદેશના હૂશામે રાજ કર્યું. હુશામ મરણ પામ્યો, એટલે તેની જગાએ અવીથ નગરના બદાદના પુત્ર હદાદે રાજ કર્યું. (મોઆબ પ્રદેશમાં ખેલાયેલ યુદ્ધમાં તેણે મિદ્યાનીઓને હરાવ્યા હતા.) હદાદ મરણ પામ્યો, એટલે તેની જગ્યાએ માસ્રેકામાંના સામ્લાએ રાજ કર્યું. સામ્લા મરણ પામ્યો, એટલે તેની જગાએ નદી પરના રહોબોથના શાઉલે રાજ કર્યું. શાઉલ મરણ પામ્યો, એટલે તેની જગાએ આખ્બોરના પુત્ર બઆલ-હાનાને રાજ કર્યું. બઆલ-હાનાન મરણ પામ્યો, એટલે તેની જગાએ પાઈ નગરના હદાદે રાજ કર્યું. તેની પત્નીનું નામ મહેરાબએલ હતું; તે મેઝાહાબની પુત્રી માટ્રેદની પુત્રી હતી. અદોમના રાજવીઓ આ પ્રમાણે હતા: તિમ્ના, આલ્વા, યથેથ, ઓહોલીબામા, એલા, પીનોન, કનાઝ, તેમાન, મિબ્સાર, માગ્દીએલ અને ઇરામ. ઇઝરાયલના બાર પુત્રો આ છે: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલૂન: દાન, યોસેફ, બિન્યામીન, નાફતાલી, ગાદ તથા આશેર. યહૂદાના પુત્રો તેની કનાની પત્ની બાથ-શૂઆને જન્મેલા પુત્રો-એર, ઓનાન તથા શેલા. તેનો જયેષ્ઠપુત્ર એર એટલો દુષ્ટ હતો કે પ્રભુએ તેને મારી નાખ્યો. પોતાની પુત્રવધૂ તામારથી યહૂદાને બે પુત્રો હતા: પેરેસ અને ઝેરા. યહૂદાને એમ કુલ પાંચ પુત્રો હતા. પેરેસના પુત્રો: હેસ્રોન તથા હામૂલ. તેના ભાઈ ઝેરાને પાંચ પુત્રો હતા: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા. ઝેરાના વંશના કાર્મીનો પુત્ર આખાર. સમર્પિત વસ્તુ રાખી લઈને તે ઇઝરાયલીઓ પર આફત લાવ્યો હતો. એથાનનો એકમાત્ર પુત્ર: અઝાર્યા. હેસ્રોનને ત્રણ પુત્રો હતા: યરાહમેલ, રામ તથા કાલેબ. રામથી યિશાઈ સુધીની વંશાવળી આ પ્રમાણે છે: રામ, આમ્મીનાદાબ, નાહશોન (તે યહૂદાના કુળનો અધિપતિ હતો). સાલ્મા, બોઆઝ, ઓબેદ અને યિશાઈ. યિશાઈને સાત પુત્રો હતા. ઉંમરના ક્રમે તેઓ આ પ્રમાણે છે: એલિયાબ, અબિનાદાબ, શિમયા નથાનિયેલ, રાદ્દાય, ઓસેમ અને દાવિદ. બે પુત્રીઓ પણ હતી: સરુયા અને અબિગાઈલ. યિશાઈની પુત્રી સરુયાને ત્રણ પુત્રો હતા: અબિશાય, યોઆબ, અન અસાહેલ. તેની બીજી પુત્રી અબિગાઈલે ઇશ્માએલી વંશના યેથેર સાથે લગ્ન કર્યું હતું. તેમના પુત્રનું નામ અમાસા હતું. હેસ્રોનના પુત્ર કાલેબની પત્ની અઝુબા હતી. તેમને યરીયોથ નામની દીકરી હતી. અઝુબાથી ત્રણ પુત્રો પણ થયા: યેશેર, શોબાબ તથા આર્દોન. અઝુબાના મરણ પછી કાલેબે એફ્રાથ સાથે લગ્ન કર્યાં, અને તેમને હૂર નામે પુત્ર થયો. હૂરનો પુત્ર ઉરી હતો અને ઉરીનો પુત્ર બસાલએલ હતો. હેસ્રોન સાઠ વર્ષનો થયો ત્યારે તેણે માખીરની પુત્રી, ગિલ્યાદની બહેન સાથે લગ્ન કર્યાં. હેસ્રોનથી તેને સગૂબ થયો. સગૂબ યાઇરનો પિતા હતો. ગિલ્યાદ પ્રાંતમાં ત્રેવીસ નગરો યાઇરના તાબામાં હતાં. ગશૂર તથા અરામે યાઇરનાં નગરો, કનાથનાં નગરો તથા આસપાસનાં ગામ સહિત સાઠ નગરો જીતી લીધાં. ત્યાંના સર્વ રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા. હેસ્રોનના મરણ પછી તેના પુત્ર કાલેબે તેના પિતાની વિધવા એફ્રાથ સાથે લગ્ન કર્યાં તેમને આશ્હુર થયો. આશ્હુર તકોઆનો પિતા હતો. હેસ્રોનના જયેષ્ઠપુત્ર યરાહમેલના પુત્રો આ હતા: જયેષ્ઠપુત્ર રામ, પછી બૂના ઓરેન, ઓઝઝેમ તથા અહિયા. યરાહમેલને અટારા નામે બીજી એક સ્ત્રી હતી; તે ઓનામની મા હતી. યરાહમેલના જયેષ્ઠપુત્ર રામના પુત્રો: માસ, યામીન તથા એકેર. ઓનામના પુત્રો: શામ્માય તથા યાદા હતા. શામ્માયના પુત્રો નાદાબ તથા અબિશૂર. અબિશૂરની પત્નીનું નામ અબિહાઇલ હતું. તેમને બે પુત્રો થયા: આહબાન અને મોલીદ. નાદાબના પુત્રો: સેલેદ તથા આપ્પાઇમ; પણ સેલેદ નિ:સંતાન મરી ગયો. આપ્પાઇમનો પુત્ર: યિશઈ; યિશઇનો પુત્ર: શેશાન; અને શેશાનનો પુત્ર: આહલાય. શામ્માયના ભાઈ યાદાના પુત્રો: યેથેર અને યોનાથાન; યેથેર નિ:સંતાન મરી ગયો. યોનાથાનના પુત્રો: પેલેથ તથા ઝાઝા, એ સર્વ યરાહમેલના વંશજો હતા. શેશાનને પુત્રો ન હતા, પણ પુત્રીઓ જ હતી. તેને યાર્હા નામે એક ઇજિપ્તી નોકર હતો. પોતાની એક પુત્રીનાં લગ્ન તેણે યાર્હા સાથે કરાવ્યાં. તેમને આત્તાય જન્મ્યો. આત્તાયથી એલીશામા સુધીની વંશાવળી આ પ્રમાણે છે: આત્તાય, નાથાન, ઝાબાદ; એફલાલ, ઓબેદ, યેહૂ, અઝાર્યા, હેલેસ, એલાસા, સિસ્માય, શાલ્લૂમ, યકામ્યા, અને એલિશામા. યરાહમેલના ભાઈ કાલેબના પુત્રો આ હતા: તેનો જયેષ્ઠપુત્ર મેશા ઝીફનો પિતા હતો. ઝીફ મારેશાનો પિતા હતો. મારેશા હેબ્રોનનો પિતા હતો. હેબ્રોનને ચાર પુત્રો હતા: કોરા, તાપ્પૂઆ, રેકેમ તથા શેમા. શેમા રાહામનો પિતા હતો અને રાહામ યોર્કઆમનો પિતા હતો. શેમાનો ભાઈ શામ્માઈનો પિતા હતો, શામ્માઈ માઓનનો પિતા હતો, માઓન બેથ-શૂરનો પિતા હતો. કાલેબની ઉપપત્ની એફાહથી તેને ત્રણ પુત્ર હતા: હારાન, મોસા તથા ગાઝેઝ. હારાનને પણ ગાઝેઝ નામે પુત્ર હતો. (યહાદાય નામે એક માણસને છ પુત્રો હતા: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા અને શાફ.) કાલેબને માઅખાહ નામે બીજી ઉપપત્ની હતી. તેનાથી કાલેબને બે પુત્રો હતા: શેબેર તથા તિર્હના. પાછળથી તેને બીજા બે પુત્રો પણ જન્મ્યા: માદમાન્‍નાનો પિતા શાફ તથા માબ્બેના તથા ગિબાનો પિતા શવા. કાલેબની પુત્રી આખ્સાહ હતી. આ પણ કાલેબના વંશજો છે: કાલેબ અને તેની પત્ની એફ્રાથનો જયેષ્ઠપુત્ર હૂર હતો. હૂર શોબાલનો પિતા હતો, શોબાલ કિર્યાથ-યારીમનો પિતા હતો. સાલ્મા બેથલેહેમનો પિતા હતો. હારેફ બેથ-ગાદેરનો પિતા હતો. કિયાર્થ- યારીમના પિતા શોબાલના વંશજો હારોએહ અને મનુહોથના અડધા ભાગના લોક હતા. કિયાર્થ-યારીમનાં કુટુંબો આ છે: યિથ્રીઓ, પૂથીઓ, શુમાથીઓ, તથા મિશ્રાઇઓ (સોરા અને એશ્તોઓલ શહેરોના લોક આ કુટુંબોમાંના હતા.) સાલ્મા બેથલેહેમનો સ્થાપક હતો. તે નટોફાથીઓ આટ્રોથ, બેથ, યોઆબ તથા સોરાઈનો પૂર્વજ હતો. સોરાઈ લોકો તો માનહાથમાંના બે ગોત્રો પૈકી એક ગોત્રના હતા. (લેખન કાર્યમાં પ્રવીણ એવાં આ કુટુંબો બેબેસ નગરમાં રહેતાં હતાં:) તિરાથીઓ, શિમાથીઓ, સૂખાથીઓ. તેઓ કેનીઓ હતા અને તેમને રેખાબીઓ સાથે લગ્નવ્યવહારનો સંબંધ હતો.) દાવિદ હેબ્રોનમાં હતો ત્યારે તેના જે પુત્રો જન્મ્યા તે ઉંમરના ક્રમ પ્રમાણે નીચે મુજબ છે: આમ્નોન જયેષ્ઠપુત્ર હતો; યિઝએલની અહિનોઆમ તેની મા હતી; દાનિયેલ, જેની મા ર્કામેલની અબિગાઈલ હતી; આબ્શાલોમ, જેની મા ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માખા હતી. અદોનિયા, જેની મા હાગ્ગીથ હતી; શફાટયા, જેની મા અબિટાલ હતી; યિથ્રા, જેની મા એગ્લા હતી. *** *** એ છ પુત્રો તેને હેબ્રોનમાં જન્મ્યા, જ્યાં તેણે સાડા સાત વર્ષ રાજ્ય કર્યું હતું. યરુશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ્ય કર્યું, અને ત્યાં યરુશાલેમમાં તેને નીચેના પુત્રો જન્મ્યા: તેની પત્ની, એટલે આમ્મીએલની પુત્રી બાથશેબાથી ચાર પુત્રો જન્મ્યા: શિમા, સોબાબ, નાથાન, શલોમોન. દાવિદને બીજા નવ પુત્રો પણ હતા: યિબ્હાર, એલિશૂઆ, એલપેલેટ, નોગા, નેફેગ, યાફિયા, એલિશામા, એલ્યાદા અને એલિફેલેટ. એ સર્વ પુત્રો ઉપરાંત દાવિદને ઉપપત્નીઓથી થયેલા પુત્રો હતા. તેને તામાર નામે પુત્રી પણ હતી. પિતા પછી પુત્ર એ ક્રમે શલોમોન રાજાના વંશજોની વિગત આ પ્રમાણે છે: શલોમોન, રહાબામ, અબિયા, આસા, યહોશાફાટ, યહોરામ, અહાઝયા, યોઆશ, અમાસ્યા, ઉઝિયા યોથામ, આહાઝ, હિઝકિયા, મનાશ્શા, આમોન અને યોશિયા. *** યોશિયાને ચાર પુત્રો હતા: યોહાનાન, યહોયાકીમ, સિદકિયા, અને યોહાઝ. *** યહોયાકીમને બે પુત્રો હતા: યખોન્યા અને સિદકિયા. બેબિલોનમાં કેદી તરીકે લઈ જવાયેલ રાજા યખોન્યાના વંશજો આ પ્રમાણે છે. યખોન્યાને સાત પુત્રો હતા: શાલ્તીએલ, માલ્કીરામ, પદાયા, શેનાસાર, યકામ્યા, હોશામા, અને નદાબ્યા. પદાયાને બે પુત્રો હતા: ઝરુબ્બાબેલ અને શિમઈ, ઝરુબ્બાબેલને મશુલ્લામ અને હનાન્યા એ બે પુત્રો હતા અને શલોમીથ નામે પુત્રી હતી. તેને બીજા પાંચ પુત્રો હતા: હશુબા, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા, યુશાબ-હેસેદ. હનાન્યાને બે પુત્રો હતા: પલાટયા અને યશાયા. યશાયાનો પુત્ર રફાયા, તેનો પુત્ર આર્નાન, તેનો પુત્ર ઓબાદ્યા, તેનો પુત્ર શખાન્યા. શખાન્યાનો પુત્ર શમાયા હતો. શમાયાને પાંચ પુત્રો હતા: હાટુશ, યિગાલ, બારિયા, નારિયા અને શાફાટ. નારિયાને ત્રણ પુત્રો હતા: એલિયોનાઈ, હિઝિકયા અને આઝીકામ. એલિયોનાઈને સાત પુત્રો હતા: હોદાવ્યા, એલ્યાશીબ, પલાયા, આકકૂબ, યોહાનાન, દબાયા અને અનાની. યહૂદાના વંશજો આ પ્રમાણે છે: પેરેસ, હેસ્રોન, કાર્મી, હૂર અને શોબાલ. શોબાલ રાયાનો પિતા હતો, અને રાયા યાહાથનો પિતા હતો. યાહાથ તો સોરામાં વસેલા લોકોના પૂર્વજ અહૂમાય અને લાહાદનો પિતા હતો. હૂર કાલેબની પત્ની એફ્રાથનો સૌથી મોટો પુત્ર હતો, અને તેના વંશજોએ બેથલેહેમ નગરની સ્થાપના કરી. હૂરને ત્રણ પુત્રો હતા: એટામ, પનુએલ અને એઝેર. એટામને યિઝએલ, યિશ્મા અને યિદબાશ એ ત્રણ પુત્રો અને હાસ્સલએલ્પોની નામે પુત્રી હતાં. પનુએલે ગેદોર નગરની, જ્યારે એઝેરે યહુશા નગરની સ્થાપના કરી. *** આશ્હૂરે તકોઆ નગરની સ્થાપના કરી. તેને બે પત્નીઓ હતી: હેલા અને નારા. તેને નારાથી જન્મેલા ચાર પુત્રો હતા: અહૂઝઝામ, હેફેર, તેમેની અને હાઅહાશ્તારી. હેલાથી આશ્હૂરને ત્રણ પુત્રો હતા: સેરેથ, યિસ્હાર અને એથ્નાન. કોસ આનુમ અને સોબેબાનો પિતા તથા હારુમનો પુત્ર અહાર્હેલના વંશજોનો પૂર્વજ હતો. યાબેસ તેના કુટુંબમાં સૌથી માનવંત માણસ હતો. તેની માએ તેનું નામ યાબેસ પાડયું હતું, કારણ, તેનો જન્મ ખૂબ જ કષ્ટદાયક હતો. પણ યાબેસે ઇઝરાયલના ઈશ્વરને પ્રાર્થના કરી, “હે ઈશ્વર, મને આશિષ આપો અને મારી ભૂમિ વિસ્તારો; મારી સાથે રહો અને મને કંઈ હાનિ ન પહોંચે તે માટે સઘળી આપત્તિથી મને બચાવી રાખો.” ઈશ્વરે તેની પ્રાર્થના માન્ય રાખી. શૂહાહના ભાઈ કાલેબને મહીર નામે પુત્ર હતો. મહીર એશ્તોનનો પિતા હતો. એશ્તોનને ત્રણ પુત્રો હતા: બેથરાફા, પાસેઆ અને તહિન્‍ના. તહિન્‍ના નાહાશ નગરનો સ્થાપક હતો. તેમના વંશજો રેખામાં રહેતા હતા. કનાઝને બે પુત્રો હતા: ઓથ્નીએલ અને સરાયા. ઓથ્નીએલને પણ બે પુત્રો હતા: હથાથ અને મનોથાઈ. મનોથાઈ ઓફ્રાનો પિતા હતો. સરાયા યોઆબનો પિતા હતો. યોઆબ “કારીગરોની ખીણ” નગરનો સ્થાપક હતો. ત્યાંના બધા લોકો કુશળ કારીગર હતા. યફુન્‍નેહના પુત્ર કાલેબને ત્રણ પુત્રો હતા: ઈરૂ, એલા અને નામ. એલા કનાઝનો પિતા હતો. યહાલ્લેએલને ચાર પુત્રો હતા: ઝીફ, ઝીફા, તીર્યા અને અસારએલ. એઝાને ચાર પુત્રો હતા: યેથેર, મેરેદ, એફેર અને યાલોન. મેરેદે ઇજિપ્તના રાજાની પુત્રી બિથ્યા સાથે લગ્ન કર્યું હતું. તેમને મિર્યામ નામે પુત્રી તથા શામ્માય અને યિશ્બા એ બે પુત્રો હતા. યિશ્બાએ એશ્તેમોઆ નગરની સ્થાપના કરી. મેરેદે યહૂદાના કુળની એક સ્ત્રી સાથે પણ લગ્ન કર્યું હતું. તેમને ત્રણ પુત્રો હતા; મેરેદે, જેણે ગેદોર નગરની સ્થાપના કરી હતી; હેબેર, જેણે સોખો નગર સ્થાપ્યું હતું; અને યકૂથીએલ, જેણે ઝાનોઆ નગર બાંધ્યું હતું. *** હોદિયાએ નાહામની બહેન સાથે લગ્ન કર્યું. તેમના વંશજોએ ગાર્મ ગોત્રની અને માખા ગોત્રની સ્થાપના કરી. ગાર્મ ગોત્રના લોક કઈલા નગરમાં અને માખા ગોત્રના લોક એશ્તમોઆ નગરમાં વસ્યા. શિમોનને ચાર પુત્રો હતા: આમ્નોન, રિન્‍ના, બેન-હાનાન અને તિલોન. ઈશીને બે પુત્રો હતો: ઝોહેથ અને બેન-ઝોહેથ. યહૂદાના પુત્ર શેલાના વંશજો આ પ્રમાણે છે: લેખા નગરનો સ્થાપક એર; મારેશા નગરનો સ્થાપક લાઅદા. બેથ-આશ્બેઆમાં વસતા અળસી રેસાના વણકરોની જાતિ; યોકીમ અને કોઝેબામાં વસતા લોકો; મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કરી બેથલેહેમમાં વસેલા યોઆશ અને સારાફ (આ હકીક્તો પ્રાચીન લેખોને આધારે છે,) તેઓ કુંભાર હતા, અને રાજાની નોકરીમાં હતા. તેઓ નટાઇમ અને ગદેરા નગરોમાં વસતા હતા. શિમયોનને પાંચ પુત્રો હતા: નમુએલ, યામીન, યારીબ, ઝેરાદ અને શાઉલ. શાઉલનો પુત્ર શાલ્લુમ, તેનો પૌત્ર મિબ્સામ, અને તેનો પ્રપૌત્ર મિશ્મા હતો. મિશ્માથી આ પ્રમાણે વંશાવળી છે: હામ્મુએલ, તે પછી ઝાક્કૂર અને તે પછી શિમઈ. શિમઈને સોળ પુત્રો અને છ પુત્રીઓ હતાં, પણ તેના ભાઈઓને ઘણાં સંતાન ન હતાં, તેથી શિમયોનનું કુળ યહૂદાના કુળ જેટલું વૃદ્ધિ પામ્યું નહિ. છેક દાવિદના શાસનકાળની શરૂઆત સુધી શિમયોનના વંશજો આ નગરોમાં રહેતા હતા: બેરશેબા, મોલાદા, હસારશૂઆલ, બિલ્લા, એસેમ, તોલાદ બથુએલ, હોર્મા; સિકલાગ, બેથ- મારકાબોથ, હસાસ્સુસીમ, બેથ-લીરઈ અને શારાઈમ; તેઓ એટામ, આઇન, રિમ્મોન, તોખેન અને આશાન એ બીજાં પાંચ સ્થળોમાં રહેતા હતા, અને એ નગરોની આસપાસનાં ગામડાંઓમાં છેક બાઆલનગર સુધી વસ્યા હતા. તેમણે તેમનાં કુટુંબો અને વસવાટનાં સ્થળોની રાખેલી આ નોંધ છે. નીચે જણાવેલ પુરુષો તેમના કુળના આગેવાન હતા: મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો પુત્ર યોશા, યોએલ, અશીએલનો પુત્ર સરાયા; સરાયાનો પુત્ર યોશીબ્યા અને યોશીબ્યાનો પુત્ર યેહૂ, એલિયોનાઈ, યાકોબા, યશોહાયા અસાયા, અદીએલ, યસીમીએલ, બનાયા. યદાયા, શિમ્રી અને શમાયાના વંશમાં આલ્લોનના પુત્ર શિફઇનો પુત્ર ઝીઝા. તેમનાં કુટુંબોનો વિસ્તાર વધતો જ ગયો. *** *** *** *** તેથી તેઓ પશ્ર્વિમ તરફ ગદોર સુધી ફેલાઈ ગયા અને જે ખીણમાં એ નગર વસ્યું હતું તે ખીણની પૂર્વ તરફ તેઓ પોતાનાં ઘેટાં ઉછેરતા હતા. ત્યાં તેમને શાંત અને સલામતીભર્યો ફળદ્રુપ ઘાસચારાનાં મેદાનોનો વિશાળ પ્રદેશ મળ્યો. અગાઉ ત્યાં હામના વંશજો રહેતા હતા. હિઝકિયા રાજાના સમયમાં ઉપર જણાવેલ લોકો ગેરાર ગયા અને ત્યાં વસતા લોકોના તંબૂ અને ઝૂંપડાં તોડી પાડયાં. તેમણે ત્યાંના રહેવાસીઓને હાંકી કાઢયા અને પોતે ત્યાં કાયમી વસવાટ કર્યો; કારણ, ત્યાં તેમનાં ઘેટાંને માટે પુષ્કળ ઘાસચારો હતો. શિમયોનના કુળના બીજા પાંચસો લોક અદોમની પૂર્વે ગયા. તેમના આગેવાનો ઈશીના પુત્ર હતા: પલાટયા, નાર્યા, રફાયા અને ઉઝઝીએલ. તેમણે ત્યાં બાકી રહી ગયેલા અમાલેકીઓનો સંહાર કર્યો અને ત્યારથી ત્યાં વસેલા છે. ઇઝરાયલના જયેષ્ઠપુત્ર રૂબેનના વંશજો: (તે જ સૌથી મોટો પુત્ર હતો; પણ તેણે પોતાના પિતાની ઉપપત્ની સાથે સમાગમ કર્યો તેથી પ્રથમજનિત પુત્ર તરીકેનો પોતાનો હક્ક તેણે ગુમાવ્યો, અને એ હક્ક યોસેફના પુત્રોને આપવામાં આવ્યો હતો. આમ તો યહૂદાનું કુળ સૌથી બળવાન બન્યું અને બધાં કુળોનો શાસક તેમાંથી ઊભો થયો, પણ જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક તો યોસેફનો જ રહ્યો.) ઇઝરાયલના સૌથી મોટા પુત્ર રૂબેનને ચાર પુત્રો હતા: હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી. યોએલના વંશજો વંશાનુક્રમે આ પ્રમાણે છે: શમાયા, ગોગ, શિમઈ, મિખા, રાયા, બઆલ, બેરા. બેરાને આશ્શૂરનો સમ્રાટ તિગ્લાથ-પિલેસેર, બંદિવાન કરીને લઈ ગયો. તે રૂબેનીઓનો આગેવાન હતો. *** *** કૌટુંબિક વંશાવળીમાં રૂબેનના કુળના નીચેના કુળનાયકોની યાદી આપી છે: શેમાનો પુત્ર આહાઝનો પુત્ર યોએલના ગોત્રના યેઈએલ, ઝખાર્યા. અને શેમાનો પુત્ર આહાઝનો પુત્ર બેલા. તેઓ અરોએરમાં તેમ જ ત્યાંથી ઉત્તરમાં નબો અને બઆલમેઓન સુધીના વિસ્તારમાં રહેતા હતા. તેમની પાસે ગિલ્યાદમાં પુષ્કળ ઢોરઢાંક હતાં; તેથી પૂર્વમાં યુફ્રેટિસ નદીથી રણપ્રદેશ સુધીના વિસ્તારમાં તેમણે મુકામ કર્યો હતો. શાઉલ રાજાના સમયમાં રૂબેનના કુળે હાગ્રીઓ પર ચડાઈ કરીને તેમનો યુદ્ધમાં સંહાર કર્યો અને ગિલ્યાદના પૂર્વભાગના વિસ્તારમાં તેમણે વસવાટ કર્યો. ગાદનું કુળ રૂબેનના પ્રદેશની ઉત્તરે, બાશાનના પ્રદેશમાં પૂર્વમાં છેક સાલખા લગી રહેતા હતા. યોએલ અગ્રગણ્ય ગોત્રનો સ્થાપક હતો; જ્યારે શાફામ બીજા વધારે અગત્યના ગોત્રનો સ્થાપક હતો. યાનાઇ અને શાફટ બાશાનમાંના બીજાં ગોત્રોના સ્થાપક હતા. કુળના બાકીના સભ્યો નીચે જણાવેલ સાત ગોત્રના હતા: મિખાયેલ, મશ્શૂલામ, શેબ્રા યોરાય, યાકાન, ઝિયા અને એબેર. તેઓ હુરીના પુત્ર અબિહાઇલના વંશજો હતા. તેના પૂર્વજો આ પ્રમાણે છે. હૂરી, યારોઆ, ગિલ્યાદ, મિખાયેલ, યશીયાય, યાહદો, બૂઝ. ગુનીનો પૌત્ર અને આબ્દીએલનો પુત્ર અહી આ ગોત્રોનો આગેવાન હતો. તેઓ બાશાન અને ગિલ્યાદના પ્રદેશમાં, તેનાં નગરોમાં અને આખા શારોનના ઘાસચારાના મેદાનમાં રહેતા હતા. યહૂદિયાના રાજા યોથામ અને ઇઝરાયલના રાજા યરોબામના દિવસોમાં આ વંશાવળીની વિગતો એકત્ર કરી નોંધવામાં આવી હતી. રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના સૈન્યમાં 44,760 સૈનિકો હતા. તેઓ ઢાલ, તલવાર અને બાણ વાપરવામાં સારી રીતે કેળવાયેલા હતા. તેમણે યટૂર, નાફીશ અને નોદાબના હાગ્રી કુળ પર ચઢાઈ કરી. તેમણે પોતાનો ભરોસો ઈશ્વરમાં મૂકીને તેમને સહાયને માટે પ્રાર્થના કરી હતી. ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી અને હાગ્રીઓ તથા તેમનાં મિત્ર રાજ્યો પર વિજય અપાવ્યો. તેમણે તેમના શત્રુઓ પાસેથી લૂંટમાં 50,000 ઊંટ, 2,50,000 ઘેટાં અને 2,000 ગધેડાં તેમજ 1,00,000 યુદ્ધકેદીઓ મેળવ્યા. યુદ્ધમાં તેમણે ઘણા શત્રુઓનો સંહાર કર્યો, કારણ, એ ઈશ્વરની ઇચ્છા પ્રમાણેનું યુદ્ધ હતું. તેઓ દેશનિકાલના સમય સુધી એ વિસ્તારમાં રહ્યા. પૂર્વમાં મનાશ્શાના અર્ધાકુળના લોકોએ ઉત્તરમાં બઆલ-મેઓન, સેનીર અને હેર્મોન પર્વત સુધી બાશાનના પ્રદેશમાં વસવાટ કર્યો. તેમની વસ્તી ખૂબ વધી. તેમના ગોત્રના આગેવાનો નીચે મુજબ હતા: એફેર, યિશઈ, એલીએલ, આઝીએલ, યર્મિયા, હાદાવ્યા અને યાહદીએલ. તેઓ બધા પ્રખ્યાત સૈનિકો અને પોતપોતાના ગોત્રના જાણીતા આગેવાનો હતા. પણ લોકો તેમના પૂર્વજોના ઈશ્વરને બેવફા નીવડયા અને ઈશ્વરે દેશમાંથી જે પ્રજાઓને હાંકી કાઢી હતી તેમના દેવોને ભજવા તેમણે ઈશ્વરનો ત્યાગ કર્યો. તેથી ઈશ્વરે આશ્શૂરના તેમના દેશ પર રાજા પુલ (તે તિગ્લાથ-પિલેસર તરીકે પણ ઓળખાતો) પાસે ચડાઈ કરાવી. તે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના કુળના લોકોને દેશનિકાલ કરીને લઈ ગયો અને હાલા, હાબોર અને હારામમાં તેમજ ગોઝાન નદી પાસે કાયમી વસવાટ કરાવ્યો, અને આજે પણ તેઓ ત્યાં છે. લેવીને ત્રણ પુત્રો હતા: ગેર્શોન, કહાથ અને મરારી. કહાથને ચાર પુત્રો હતા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ. આમ્રામને બે પુત્રો હતા: આરોન, મોશે; વળી, મિર્યામ નામે એક પુત્રી હતી. આરોનને ચાર પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામાર. વંશાનુક્રમે એલાઝારના વંશજો આ પ્રમાણે છે: ફિનહાસ, અબિશુઆ, બુક્કી, ઉઝ્ઝી, ઝરાયા, મરાયોથ, અમાર્યા, અહિટૂબ, સાદોક, અહિમાસ, અઝાર્યા, યોહાનાન, *** અઝાર્યા (તે શલોમોન રાજાએ યરુશાલેમમાં બાંધેલા મંદિરમાં સેવા કરનાર હતો) *** અમાર્યા, અહીટૂબ, સાદોક, શાલ્લૂમ, હિલકિયા, અઝાર્યા, સરાયા, યહોસાદોક. પ્રભુએ નબૂખાદનેસ્સાર રાજા હસ્તક યહૂદિયા અને યરુશાલેમના લોકોને બંદિવાસમાં મોકલ્યા ત્યારે તેમની સાથે યહોસાદોકને પણ બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યો હતો. *** લેવીને ત્રણ પુત્રો હતા: ગેર્શોન, કહાથ અને મરારી. તેમાંના દરેકને વળી પુત્રો હતા. ગેર્શોન લિબ્ની અને શિમઈનો પિતા હતો; કહાથ આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલનો પિતા હતો; અને મરારી માહલી અને મૂશીનો પિતા હતો. વંશાનુક્રમે ગેર્શોનના વંશજો આ પ્રમાણે છે: લિબ્ની, યાહાથ, ઝિમ્મા, યોઆ, યિદ્દો, સેરા, યેઆથરાય. વંશાનુક્રમે કહાથના વંશજો આ પ્રમાણે છે: આમ્મીનાદાબ, કોરા, આસ્સીર, એલ્કાના, અબિયાસાફ, આસ્સીર, તાહાથ, ઉરિયેલ, ઉઝિઝયા શાઉલ. એલ્કાનાને બે પુત્રો હતા: અમાસાય અને અહી. વંશાનુક્રમે અહીમોથના વંશજો આ પ્રમાણે છે: એલ્કાના, સોફાય, નાહાથ, એલિયાબ, યરોહામ, એલ્કાના. શમુએલને બે પુત્રો હતા, મોટો પુત્ર યોએલ અને નાનો પુત્ર અબિયા. વંશાનુક્રમે મરારીના વંશજો આ પ્રમાણે છે: માહલી, લિબ્ની, શિમઈ, ઉઝઝા, શિમ્યા, હાગ્ગિયા, અસાયા. પ્રભુના મંદિરમાં કરારપેટી મૂકયા પછી દાવિદે ત્યાં આરાધનાની સેવાને માટે નીમેલા માણસો આ છે. શલોમોન રાજાએ યરુશાલેમમાં મંદિર બાંધ્યું તે પહેલાં તેઓ પ્રભુના મુલાકાતમંડપમાં નિયત વારા પ્રમાણે ગાવાબજાવવાની સેવા બજાવતા હતા. આ કામગીરી સંભાળનાર માણસોની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. કહાથનું ગોત્ર: પ્રથમ ગાયકવૃંદનો આગેવાન હેમાન યોએલનો પુત્ર હતો. વંશાનુક્રમે યાકોબ સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: હેમાન, યોએલ, શમુએલ, એલ્કાના, યહોરામ, એલિયેલ, તોઆ, સૂફ, એલ્કાના, માહાથ, આમાસાય. *** એલ્કાના, યોએલ, અઝાર્યા, સફાન્યા. તાહાથ, આસ્સીર, એબિયાસાફ, કોરા, યિસ્હાર, કહાથ, લેવી, યાકોબ. ગેર્શોનનું ગોત્ર: બીજું ગાયકવૃંદ જમણી તરફ ઊભું રહેતું અને તેનો આગેવાન આસાફ હતો. વંશાનુક્રમે લેવી સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: આસાફ, બેરેખ્યા, શિમ્યા. મિખાયેલ, બાસેયા, માલકિયા, એથ્ની, સેરા, અદાયા, એથાન, સિમ્મા, શિમઈ, યાહાથ, ગેર્શોન, લેવી. મરારીનું ગોત્ર: ત્રીજું ગાયકવૃંદ ડાબી તરફ ઊભું રહેતું અને તેનો આગેવાન એથાન હતો. વંશાનુક્રમે લેવી સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: એથાન, કીશી, આબ્દી, માલ્લૂખ, હશાબ્યા, અમાસ્યા, હિલકિયા, આમ્મી, બાની, શેમેર, *** માહલી, મુશી, મરારી, લેવી. તેમના સાથી લેવીભાઈઓને ઉપાસનાના સ્થાનની બીજી બધી ફરજો સોંપવામાં આવી હતી. આરોનના વંશજો આરોન અને તેના વંશજો ધૂપવેદી પર ધૂપ ચડાવતા અને યજ્ઞવેદી પર સઘળાં અર્પણ ચડાવતા. પરમપવિત્રસ્થાનની સર્વ ઉપાસના અને ઈશ્વર ઈઝરાયલનાં પાપની ક્ષમા કરે તે માટેનાં પ્રાયશ્ર્વિતબલિની બધી જવાબદારી તેમની હતી. ઈશ્વરના સેવક મોશેએ આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ એ બધું કરતા. આરોનના વંશજોની વિગત આ પ્રમાણે છે: એલાઝાર, ફિનહાસ, અબિશુઆ. બુક્કી, ઉઝ્ઝી, સરાયા, મરાયોથ, અમાર્યા, અહિટૂબ, સાદોક, અહિમાસ. આરોનના વંશમાં કહાથના ગોત્રના વંશજોને મળેલા પ્રદેશમાં તેમના વસવાટની વિગતો આ પ્રમાણે છે. લેવીઓને અપાયેલ પ્રદેશમાંથી તેમને પ્રથમ ભાગ મળ્યો. એમાં યહૂદિયાનું હેબ્રોન અને તેની આસપાસનાં ગૌચરોનો સમાવેશ થતો હતો. પણ એ શહેરનાં ખેતરો અને ગામો તો યફૂન્‍નેના પુત્ર કાલેબને અપાયેલાં હતાં. આરોનના વંશજોને ગૌચરો સહિત અપાયેલાં નગરો આ પ્રમાણે છે: આશ્રયનગર હેબ્રોન, યાત્તીર, લિબ્નાનાં નગરો, એસ્તેસોઆ, હીલેન, દબીર આશાન, અને બેથ-શેમેશ તેમનાં ગોચર સહિત. *** *** બિન્યામીનના કુળ પ્રદેશમાં નીચેનાં નગરો તેમનાં ગૌચર સહિત અપાયેલાં હતાં: ગેબા, આલેમાથ, અને અનાથોથ. આમ તેમનાં સર્વ કુટુંબોને વસવાને એકંદરે તેર નગરો હતાં. પશ્ર્વિમ મનાશ્શાના કુળ પ્રદેશમાં દશ નગરો કહાથના ગોત્રના બાકી રહેલાઓને કુટુંબવાર આપવામાં આવ્યાં હતાં. ગેર્શોનના ગોત્રને તેમણે ઇસ્સાખાર, આશેર, નાફતાલીના કુળપ્રદેશોમાં અને પૂર્વ મનાશ્શાના બાશાનમાં તેર ગામો કુટુંબવાર આપ્યાં. એ જ પ્રમાણે રૂબેન, ગાદ અને ઝબુલૂનના કુળપ્રદેશોમાં બાર ગામો મરારીના ગોત્રને કુટુંબવાર આપ્યાં. એ રીતે ઇઝરાયલીઓએ લેવીઓને રહેવા માટે ગૌચર સહિત નગરો આપ્યાં. યહૂદિયા, શિમયોન અને બિન્યામીનના કુળપ્રદેશોમાં ઉપર જણાવેલ નગરો ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં. કહાથના ગોત્રનાં કેટલાંક કુટુંબોને એફ્રાઈમના કુળપ્રદેશમાં નગરો અને ગૌચરો આપવામાં આવ્યાં: એફ્રાઈમના પહાડીપ્રદેશનું આશ્રયનગર શેખેમ, ગેઝેર, યોકમામ, બેથ-હારોન, આયાલોન, ગાથ અને રિમ્મોન. પશ્ર્વિમ મનાશ્શાના કુળપ્રદેશમાં તેમને આનેર અને બિલહામ નગરો અને તેમની આસપાસનાં ગૌચરો આપવામાં આવ્યાં. ગેર્શોનના ગોત્રનાં કુટુંબોને નીચેનાં નગરો તેમનાં ગૌચરો સહિત આપ્યાં: પૂર્વ મનાશ્શાના કુળપ્રદેશમાં બાશાનમાં આવેલ ગોલાન અને આશ્તારોથ. ઇસ્સાખારના કુળપ્રદેશમાં: કેદેશ, દબેરાથ, રામોથ અને એનેમ. આશેરના કુળપ્રદેશમાં: માશાલ, આબ્દોન, હુકોક અને રેહોબ. નાફતાલીના કુળપ્રદેશમાં: ગાલીલમાં આવેલ કેદેરા, હામ્મોન અને કિર્યાથાઈમ. મરારીના ગોત્રનાં બાકીનાં કુટુંબોને નીચેનાં નગરો તેમનાં ગૌચર સહિત આપ્યાં: ઝબુલૂનના કુળપ્રદેશમાં યોકનીમ, ર્ક્તા, રિમ્મોન અને તાબોર. યર્દનની પૂર્વ તરફ યરીખોની સામે રૂબેનના કુળપ્રદેશના ઉચ્ચપ્રદેશમાં આવેલ બેઝેર, યાહજા, કેદેમોથ, મેફાથ. ગાદના કુળપ્રદેશમાં: ગિલ્યાદમાંનું રામોથ, માહનાઈમ, હેશ્બોન અને યાસેર. ઇસ્સાખારને ચાર પુત્રો હતા: તોલા, પુઆ, યાશુબ અને શિમ્રોન. તોલાને છ પુત્રો હતા: ઉઝઝી, રફાયા, યરિયેલ, યાહમાય, યિબ્સામ અને શમુએલ. તેઓ તોલાના વંશના કુટુંબના વડા હતા અને પ્રખ્યાત લડવૈયા હતા. દાવિદ રાજાના સમયમાં તેમની સંખ્યા 22,600ની હતી. ઉઝઝીને યિઝાહ્યા નામે એક પુત્ર હતો. યિઝાહ્યા અને તેના ચાર પુત્રો મિખાએલ, ઓબાદ્યા, યોએલ અને યિશ્શીયા કુટુંબોના આગેવાન હતા. તેમને અનેક સ્ત્રીઓ અને સંતાનો હોવાથી તેમના વંશજોમાંથી લશ્કરી સેવા માટે 36,000 પુરુષો મળી આવ્યા. ઇસ્સાખારના કુળના સર્વ કુટુંબોમાંથી લશ્કરી સેવા માટે લાયક હોય એવા 87,000 પુરુષો નોંધાયેલા હતા. બિન્યામીનને ત્રણ પુત્રો હતા: બેલા, બેખેર અને યદિયેલ. બેલાને પાંચ પુત્રો હતા: એસ્બોન, ઉઝઝી, ઉઝિયેલ, યરિમોથ અને ઈરી. તેઓ સૌ તેમનાં ગોત્રમાં કુટુંબોના આગેવાન હતા અને પ્રખ્યાત લડવૈયા હતા. તેમના વંશજોમાં લશ્કરી સેવાયોગ્ય 22,034 પુરુષો હતા. બેખેરને નવ પુત્રો હતા: ઝમિરા, યોઆશ, અલિએઝેર, એલિયોનાય, ઓમ્રી, યહેમોથ, અબિયા, અનાથોથ અને આલેમેથ. તેમના વંશજોનાં કુટુંબોની અધિકૃત નોંધમાં લશ્કરી સેવાયોગ્ય 20,200 પુરુષો નોંધાયેલા હતા. યદિયેલને બિલ્હાન નામે એક પુત્ર હતો. બિલ્હાનને સાત પુત્રો હતા: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શિશ અને અહિશાહાર. તેઓ ગોત્રના કુટુંબોના આગેવાન હતા અને વિખ્યાત લડવૈયા હતા. તેમના વંશજોમાં લશ્કરી સેવા યોગ્ય 17,200 પુરુષો હતા. ઈરના પુત્રો: શુપ્પીમ અને હુપ્પીમ. આહેરના પુત્રોમાંના એકનું નામ હુશીમ હતું. નાફતાલીને ચાર પુત્રો હતા: યાહસિયેલ, ગુની, યેસેર, શાલ્લુમ. (તેમની માતા બિલ્હા હતી) મનાશ્શાના વંશજો પોતાની અરામી રખાતથી મનાશ્શાને બે પુત્રો હતા. આસ્રીએલ અને માખીર; માખીર ગિલ્યાદનો પિતા હતો. માખીરે હુપ્પીમ અને શુપ્પીમ કૂળની બે સ્ત્રી સાથે લગ્ન કર્યાં: તેમાંથી એકનું નામ માખા હતું; બીજી સ્ત્રીથી સલોફહાદ જન્મ્યો. સલોફહાદને ફક્ત પુત્રીઓ જ હતી. માખીરની પત્ની માખાએ બે પુત્રોને જન્મ આપ્યો. તેમણે તેમનાં નામ પેરેસ અને શેરેશ પાડયાં. પેરેસને બે પુત્રો હતા: ઉલામ અને રેકેમ. ઉલામને બદાન નામે પુત્ર હતો. આ બધા મનાશ્શાના પૌત્ર અને માખીરના પુત્ર ગિલ્યાદના વંશજો હતા. ગિલ્યાદની બહેન હમ્મોલેખેથને ત્રણ પુત્રો હતા: ઈશ્હોદ, અબિયેઝેર અને માહલા. (શમીદાને ચાર પુત્રો હતા: આહ્યાન, શખેમ, લીખી અને અનિયામ.) વયના ક્રમ પ્રમાણે એફ્રાઈમના વંશજો આ પ્રમાણે છે: શૂથેલા, બેરેદ, તાહાથ, એલ્યાદા, ઝાબાદ, શૂથેલા. એફ્રાઈમને શૂથેલા સિવાય બીજા બે પુત્રો હતા: એઝેર અને એલ્યાદ, જેઓ ગાથના મૂળ રહેવાસીઓનાં ઢોરઢાંક ઉપાડી જતા હતા ત્યારે માર્યા ગયા હતા. તેમના પિતા એફ્રાઈમે તેમને માટે ઘણા દિવસો સુધી શોક કર્યો, અને તેના ભાઈઓ તેને દિલાસો દેવા આવ્યા. તે પછી તેણે પોતાની પત્ની સાથે સમાગમ કર્યો, તે તેનાથી ગર્ભવતી થઈ અને તેને પુત્ર થયો. કુટુંબ પર આવી પડેલ સંકટને કારણે તેમણે તેનું નામ બરિયા (અર્થાત્ ‘આફત’) પાડયું. એફ્રાઈમને શેરા નામે એક પુત્રી હતી. તેની પુત્રીએ ઉપરનું અને નીચાણનું બેથ હોરેન અને ઉઝઝેનશેરા નગરો બાંધ્યાં. એફ્રાઈમને રેફા નામે પણ એક પુત્ર હતો, જેના વંશજો આ પ્રમાણે છે: રેશેફ, તેલા, તાહાન, લાદાન, આમ્મીહૂદ, એલિશામા, નૂન, યહોશુઆ. તેમણે જે પ્રદેશ કબજે કરીને તેમાં વસવાટ કર્યો તે પ્રદેશમાં બેથેલ અને તેની આસપાસનાં નગરો તથા પૂર્વમાં છેક તારાન અને પશ્ર્વિમે છેક ગેઝેર તથા તેમની આસપાસનાં નગરોનો સમાવેશ થતો હતો. શખેમ તથા અઝ્ઝા અને તેમની આસપાસનાં નગરોનો પણ તેમાં સમાવેશ થતો હતો. બેથ-શાન, તાનાખ, મગિદ્દો અને દોર તથા તેમની આસપાસનાં નગરો પર મનાશ્શાના વંશજોનું નિયંત્રણ હતું. ઇઝરાયલના પુત્ર યોસેફના વંશજો એ બધાં સ્થળોમાં વસ્યા. આ આશેરના વંશજો છે. તેને ચાર પુત્રો હતા: યિમ્ના, યિશ્વા, યિશ્વી અને બરિયા. તેને સેરા નામે એક પુત્રી હતી. બરિયાને બે પુત્રો હતા: હેબેર અને માલ્ખીએલ. (માલ્ખીએલ બિર્ઝાઈથ નગરનો સ્થાપક હતો.) હેબેરને ત્રણ પુત્રો હતા: યાફલેટ, શોમેર અને હોથામ; તેને શૂઆ નામે એક પુત્રી હતી. યાફલેટને પણ ત્રણ પુત્રો હતા: પાસાખ, બિમ્હાલ અને આશ્વાથ. તેના ભાઈ સોમેરને ત્રણ પુત્રો હતા: રોહગા, યેહુબ્બા અને અરામ. તેના ભાઈ હોથામને* ચાર પુત્રો હતા: સોફા, યિમ્ના, શેલેશ અને આમાલ. સોફાના વંશજો આ પ્રમાણે હતા; સૂઆ, હાર્નેફેર, શૂઆલ, બેરી યિમ્રા. બેસેર, હોદ, શામ્મા, શિલ્શા, યિથ્રાન અને બેરા. યેથેરના વંશજો યફૂન્‍ને, પિસ્પા અને અરા હતા. ઉલ્લાના વંશજો આરા હાન્‍નીએલ અને રિસ્યા હતા. એ બધા આશેરના વંશજો હતા. તેઓ કુટુંબના આગેવાનો અને ચુનંદા શૂરવીર લડવૈયા હતા. આશેરના વંશજોમાં લશ્કરી સેવાને લાયક એવા 26,000 પુરુષો હતા. બિન્યામીનને પાંચ પુત્રો હતા: વયના ક્રમ પ્રમાણે તેઓ આ છે: બેલા, આશ્બેલ, અહારા, નોહા અને રાફા. બેલાના વંશજો આ પ્રમાણે છે: આદ્દાર, ગેરા, એહુદ, અબિશુઆ, નામાન, અહોઆહ, ગેરા, શફૂફાન અને હુરામ. એહૂદના વંશજો નામાન, અહિયા અને ગેરા હતા. તેઓ ગેબામાં વસતા કુટુંબોના વડા હતા. તેમનાં એ કુટુંબોને ત્યાંથી માનહાથમાં લઈ જવામાં આવ્યા હતા. આ સ્થળાંતરમાં તેમની આગેવાની કરનાર ઉઝઝા અને અહિહુદનો પિતા ગેરા હતો. *** શહરાઈમે પોતાની બે પત્નીઓ હુશીમ અને બારાથી લગ્નવિચ્છેદ કર્યો. પાછળથી તે મોઆબના પ્રદેશમાં રહેતો હતો ત્યારે તેણે હોદેશ સાથે લગ્ન કર્યાં અને તેમને સાત પુત્રો હતા: યોબાબ, સિબિયા, મેશા, માલ્કામ, *** યેઉસ, શાખિયા અને મિર્મા. તેના બધા પુત્રો કુટુંબોના વડા બન્યા. તેને હુશીમથી પણ બે પુત્રો હતા અબિટુબ અને એલ્પાલ. એલ્પાલને ત્રણ પુત્રો હતા: એબેર, મિશામ અને શેમેદ. શેમેદે, ઓનો અને લોદ નગરો અને તેમનાં આસપાસનાં ગામો બંધાવ્યાં. બરિયા અને શેમા આયાલોન નગરમાં વસતાં કુટુંબોના વડા હતા. તેમણે ગાથનગરના લોકોને હાંકી કાઢયા, અહિયો, શાશાક, યરેમોથ, ઝબદિયા, આરાદ, એદેર, મિખાયેલ, યિશ્પા અને યોહા એ બરિયાના વંશજો હતા. એલ્પાલના વંશજો આ પ્રમાણે છે: ઝબદિયા, મશુલ્લામ, હિઝકી, હેબેર. યિશ્મરાય, યિઝલિયા અને યોબાબ. શિમઈના વંશજો આ પ્રમાણે છે: યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી, એલિયોનાય, સિલ્લાથાય, એલિયેલ, અદાયા, બરાયા અને શિમ્રાથ. શાશાકના વંશજો આ પ્રમાણે હતા: યિશ્પાન, એબેર, એલિયેલ, આબ્દોન, ઝિખ્રી, હાનાન, હનાન્યા, એલામ આન્થોથિયા યિફદયા અને પનુએલ. યરોહામના વંશજો આ પ્રમાણે છે: શામ્શરાય, શહાર્યા, અથાલ્યા, યારેશ્યા, એલિયા અને ઝિખ્રી. આ બધા પૂર્વજોના કુટુંબોના વડા તેમજ મુખ્ય વંશજો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા. યેઈએલે ગિબ્યોન વસાવ્યું હતું અને ત્યાં જ ઠરીઠામ થયો. તેની પત્નીનું નામ માખા હતું, અને તેનો સૌથી મોટો પુત્ર આબ્દોન હતો. તેના બીજા પુત્રો સૂર, કીશ, બઆલ, નેર, નાદાબ, ગેદોર, અહિયો, ઝેખેર. શિમ્યાનો પિતા મિકલોથ હતો. તેમના વંશજો તેમના ગોત્રના બીજાં કુટુંબો સાથે યરુશાલેમમાં રહેતા હતા. નેર કીશનો પિતા હતો અને કીશ શાઉલ રાજાનો પિતા હતો. શાઉલને ચાર પુત્રો હતા: યોનાથાન, માલ્ખીશૂઆ, અબિનાદાબ અને એશબઆલ. યોનાથાન મરીબઆલ નો પિતા હતો, જે મિખાનો પિતા હતો. મિખાને ચાર પુત્રો હતા: પિથોન, મેલેખ, તારેયા, અને આહાઝ. આહાઝ યહોઆદાનો પિતા હતો. યહોઆદાને ત્રણ પુત્રો હતા: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી. ઝિમ્રી મોસાનો પિતા હતો. મોસા બિનિયાનો, બિનિયા રાફાનો, રાફા એલ્યાસાનો અને એલ્યાસા આસેલનો પિતા હતો. આસેલને છ પુત્રો હતા: આઝીકામ, બોખરું, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા અને હાનાન. આસેલના ભાઈ એશેકને ત્રણ પુત્રો હતા: ઉલામ, યેઉશ અને એલિફેલેટ. ઉલામના પુત્રો અગ્રગણ્ય યોદ્ધાઓ અને ધનુર્ધારી હતા. તેને બધા મળીને એક્સો પચાસ પુત્રો અને પ્રપૌત્રો હતા. એ બધા બિન્યામીનના કુળના વંશજો હતા. ઇઝરાયલના બધા લોકોની કુટુંબવાર વંશાવળી ઇઝરાયલના રાજાઓના ગ્રંથમાં નોંધવામાં આવી. યહૂદાના લોકોને તેમના પાપની શિક્ષારૂપે બેબિલોનમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પોતપોતાનાં નગરોમાં પોતાની જમીન પર પ્રથમ વસવા આવનાર કેટલાક ઇઝરાયલીઓ યજ્ઞકારો, લેવીઓ અને મંદિરના સેવકો હતા. યહૂદા, બિન્યામીન, એફ્રાઈમ અને મનાશ્શાના કુળના લોકોએ યરુશાલેમમાં વસવાટ કર્યો. યહૂદાના કુળનાં 690 કુટુંબો યરુશાલેમમાં વસ્યા. યહૂદાના પુત્ર પેરેસના વંશજોનો આગેવાન આમ્મીહુદનો પુત્ર અને ઓમ્રીનો પૌત્ર ઉથાય હતો. તેના અન્ય પૂર્વજોમાં આમ્મીહુદનો પિતા ઈમ્રી અને દાદા બાની હતા. યહૂદાના પુત્ર શેલાના વંશજોનો આગેવાન અસાયા હતો. અસાયા તેના કુટુંબનો વડો હતો. યહૂદાના પુત્ર ઝેરાના વંશજોનો આગેવાન યેઉએલ હતો. *** *** બિન્યામીનના કુળના નીચેના સભ્યો યરુશાલેમમાં રહેતા હતા: હાસ્સેનુઆના પુત્ર હોદાવ્યાના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લૂ; યરોહામનો પુત્ર યિબ્નિયા; ઉઝઝીનો પુત્ર અને મિખ્રીનો પૌત્ર એલા; યિબ્નિયાના પુત્ર રેઉએલના પુત્ર શફાટયાનો પુત્ર મશુલ્લામ. *** ત્યાં એ કુળનાં 956 કુટુંબો વસ્યાં હતાં. ઉપર જણાવેલ બધા પુરુષો તેમના કુટુંબના વડા હતા. યરુશાલેમમાં નીચેના યજ્ઞકારો વસ્યા: યદાયા, યહોયારિબ, યાખીન, હિલકિયાનો પુત્ર અઝાર્યા (મંદિરનો મુખ્ય અધિકારી). તેના પૂર્વજો મશુલ્લામ, સાદોક, મરાયોથ અને અહિટૂબ હતા. યહોરામનો પુત્ર અદાયા. તેના પૂર્વજો પાશ્હૂર અને માલકિયા હતા. અદિયેલનો પુત્ર માસાય. તેના પૂર્વજો યાહઝેરા, મશુલ્લામ, મશિલ્લેમીથ અને ઈમ્મેર હતા. *** *** કુટુંબના વડા હોય એવા યજ્ઞકારોની સંખ્યા 1,760 હતી. તેઓ મંદિરના સેવાકાર્યમાં પ્રવીણ હતા. યરુશાલેમમાં નીચેના લેવીઓ રહ્યા: હાશ્શૂબનો પુત્ર શમાયા, જેના પૂર્વજો મરારી ગોત્રના આઝીકામ અને હશાબ્યા હતા. બાકબાક્કાર, હેરેશ અને ગાલાલ. મિખાનો પુત્ર માત્તાન્યા હતો. મિખાના પિતા ઝિખ્રી અને દાદા આસાફ હતા. શમાયાનો પુત્ર ઓબાદ્યા હતો; શમાયાનો પિતા ગાલાલ અને દાદા યદૂથુન હતા. આસાનો પુત્ર અને એલ્કાનાનો પૌત્ર બેરેખ્યા હતો. તેઓ નટોફા નગરનાં પરાંઓમાં રહેતા હતા. *** *** યરુશાલેમમાં રહેતા મંદિરના સંરક્ષકો આ પ્રમાણે હતા: શાલ્લૂમ, આક્કુબ, તાલ્મોન અને અહિમાન. શાલ્લૂમ તેમનો આગેવાન હતો. એ સમય સુધી તેમના ગોત્રના સભ્યો પૂર્વમાં આવેલા રાજાના દરવાજાના પ્રવેશદ્વારે ચોકીપહેરા પર રહેતા હતા. અગાઉ તેઓ લેવીઓની છાવણીના સંરક્ષકો હતા. કોરેનો પુત્ર અને અબિયાસાફનો પૌત્ર શાલૂમ કોરા ગોત્રના તેના જાતભાઈઓ સાથે પ્રભુના મુલાકાતમંડપના પ્રવેશદ્વારે ચોકીપહેરો ભરતા હતા. તેમના પૂર્વજો પણ પ્રભુની છાવણીમાં દરવાજો સાચવનાર હતા. એક સમયે એલાઝારનો પુત્ર ફિનહાસ તેમનો આગેવાન હતો; પ્રભુ તેની સાથે હતા. ઝખાર્યાનો પુત્ર મેશેલેમ્યા પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો દરવાન હતો. એકંદરે 212 માણસોને પ્રવેશદ્વારો અને દરવાજાના સંરક્ષક તરીકે પસંદ કર્યા હતા. તેમના વસવાટના ગામ પ્રમાણે તેમની નોંધણી કરવામાં આવી હતી. રાજા દાવિદ અને સંદેશવાહક શમુએલે તેમના પૂર્વજોને આ મહત્ત્વની જવાબદારી સોંપી હતી. તેઓ અને તેમના વંશજો મંદિરના દરવાજાઓના સંરક્ષક તરીકે ચાલુ રહ્યા. પ્રત્યેક દિશામાં એકએક દરવાજો હતો: ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ર્વિમમાં. દરેક દરવાજે એક મુખ્ય સંરક્ષક રહેતો. આ સંરક્ષકોને ગામોમાં રહેતા તેમના સંબંધીઓ સહાય કરતા અને તેમણે દરેક વખતે સાત દિવસ સુધી સંરક્ષકની ફરજ વારા પ્રમાણે બજાવવાની થતી હતી. ચાર મુખ્ય સંરક્ષકો લેવીઓ હતા અને આખરી જવાબદારી તેમની હતી. તેઓ મંદિરના ઓરડાઓ અને તેમાં રાખેલા પૂરવઠા માટે જવાબદાર હતા. તેઓ મંદિરની પાસે રહેતા; કારણ, મંદિરના રક્ષણની અને રોજ સવારે દરવાજા ખોલવાની જવાબદારી તેમની હતી. અન્ય લેવીઓ ભજનસેવામાં વપરાતાં વાસણો માટે જવાબદાર હતા. તેઓ પાત્રોને ઉપયોગ માટે બહાર લઈ જતા ત્યારે અને તેમને પાછાં અંદર લાવતી વખતે તેમની ગણતરી કરતા. બીજા કેટલાક બીજી પવિત્ર સાધનસામગ્રી તથા લોટ, દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ધૂપદ્રવ્યો અને સુગંધીદ્રવ્યોના હવાલામાં હતા. પણ સુગંધીદ્રવ્યોની મેળવણી કરવાની જવાબદારી યજ્ઞકારોની હતી. શેકીને ચડાવવાના ધાન્ય અર્પણ માટે કોરાના ગોત્રનો શાલ્લૂમનો જયેષ્ઠ પુત્ર માત્તિથ્યા નામે લેવી જવાબદાર હતો. દર સાબ્બાથદિને મંદિર માટે પવિત્ર રોટલી તૈયાર કરવાની જવાબદારી કહાથના ગોત્રના સભ્યોની હતી. મંદિરમાં સંગીત માટે લેવીઓનાં કેટલાંક કુટુંબો જવાબદાર હતાં. આ કુટુંબોના વડાઓ મંદિરનાં જ મકાનોમાં રહેતા. કારણ, તેમણે રાત્રે કે દિવસે પોતાની ફરજ બજાવવા ઉપલબ્ધ રહેવાનું હતું. એ બધા માણસો વંશાવળી પ્રમાણે લેવી કુટુંબોના વડા હતા અને યરુશાલેમમાં રહેતા હતા. યેઈએલે ગિબ્યોન વસાવ્યું હતું અને તે ત્યાં જ ઠરીઠામ થયો. તેની પત્નીનું નામ માખા હતું. તેનો સૌથી મોટો પુત્ર આબ્દોન હતો, અને તેના બીજા પુત્રો આ પ્રમાણે હતા: સુર, કીશ, બઆલ, નેર, નાદાબ, ગેદોર, અહિયો, ઝખાર્યા અને શિમયાનો પિતા મિકલોથ. તેમના વંશજો યરુશાલેમમાં તેમના ગોત્રના અન્ય કુટુંબો પાસે રહેતા હતા. નેર કીશનો પિતા હતો અને કીશ શાઉલનો પિતા હતો. શાઉલને ચાર પુત્રો હતા: યોનાથાન, માલ્ખીશૂઆ, અબિનાદાબ અને એશબઆલ. યોનાથાન મરીબઆલનો પિતા હતો અને મરીબઆલ મિખાનો પિતા હતો. મિખાને ચાર પુત્રો હતા: પિથોન, મેલેખ, તારેયા અને આહાઝ. આહાઝ યારાનો પિતા હતો. યારાને ત્રણ પુત્રો હતા: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી. ઝિમ્રી મોસાનો પિતા હતો. મોસા બિનિયાનો પિતા, બિનિયા રફાયાનો પિતા, રફાયા એલ્યાસાનો પિતા અને એલ્યાસા આસેલનો પિતા હતો. આસેલને છ પુત્રો હતા: આઝીકામ, બોખરું, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા અને હાનાન. પલિસ્તીઓએ ગિલ્બોઆ પર્વત પર ઈઝરાયલીઓ સામે યુદ્ધ કર્યું. ઘણા ઈઝરાયલીઓ ત્યાં માર્યા ગયા; જ્યારે બાકીના બધા નાસી છૂટયા. પલિસ્તીઓએ શાઉલ તથા તેના પુત્રોનો પીછો કર્યો. શાઉલના ત્રણેય પુત્રો એટલે, યોનાથાન, અબિનાદાબ અને માલ્ખીશૂઆ માર્યા ગયા. શાઉલની આસપાસ દારુણ યુદ્ધ મચ્યું અને તે શત્રુઓનાં બાણોથી સખત ઘવાયો. તેણે પોતાના યુવાન શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર ખેંચીને મને આરપાર વીંધી નાખ, નહિ તો આ પરપ્રજાના પલિસ્તીઓ આવીને મારું અપમાન કરશે. પરંતુ તે યુવાન એમ કરતાં બહુ બીધો. તેથી શાઉલે પોતાની તલવાર લઈને તે પર પડતું મૂકાયું. શાઉલ મરણ પામ્યો છે એ જોઈને પેલો યુવાન શસ્ત્રવાહક પણ પોતાની તલવાર પર પડતું મૂકીને મૃત્યુ પામ્યો. એમ શાઉલ અને તેના ત્રણ પુત્રો એકી સાથે મરણ પામ્યા અને શાઉલના રાજ્યનો અંત આવ્યો. યિઝયેલની ખીણમાં વસતા ઇઝરાયેલીઓ સાંભળ્યું કે તેમનું સૈન્ય ભાગીએ છૂટયું છે અને શાઉલ તથા તેના પુત્રો માર્યા ગયા છે, ત્યારે તેઓ પોતાનાં નગરો છોડી નાસી છૂટયા. પછી પલિસ્તીઓ આવીને એ નગરોમાં વસ્યા. લડાઈને બીજે દિવસે પલિસ્તીઓ પડેલાં શબ ઉપરથી સાધનસરંજામ લૂંટી લેવા ગયા. તો તેમણે ગિલ્બોઆ પર્વત પર શાઉલ અને તેના પુત્રોના મૃતદેહ પડેલા જોયા. તેમણે શાઉલનું મસ્તક કાપી નાખ્યું અને તેનું બખ્તર ઉતારી લીધું. પછી એ લઈને પોતાની મૂર્તિઓ અને પોતાના લોકને શુભ સમાચાર પહોંચાડવા આખા પલિસ્તીયામાં સંદેશકો મોકલ્યા. તેમણે તેનાં શસ્ત્રો તેમના એક મંદિરમાં મૂક્યાં અને શાઉલનું માથું તેમના દેવ દાગોનના મંદિરમાં ટાંગ્યું. પલિસ્તીઓએ શાઉલના જે હાલ કર્યા હતા તેની ગિલ્યાદ પ્રાંતના યાબેશ નગરના લોકોને જાણ થઈ. તેથી ત્યાંના શૂરવીર માણસો ત્યાં જઈને શાઉલ અને તેના પુત્રોનાં શબ યાબેશમાં લઈ આવ્યા. ત્યાં એક મસ્તગીવૃક્ષ નીચે તેમણે તેમને દફનાવ્યા અને સાત દિવસ શોક પાળ્યો. પ્રભુને વફાદાર નહિ હોવાને લીધે શાઉલ મરણ પામ્યો. પ્રભુની આજ્ઞાનો અનાદર કરીને તેણે મૃતાત્માને સાધીને માર્ગદર્શન આપનારની સલાહ લેવાનો પ્રયાસ કર્યો; પણ પ્રભુની સલાહ મેળવી નહિ. તેથી પ્રભુએ તેને મારી નાખ્યો અને તેનું રાજ્ય યિશાઈના પુત્ર દાવિદને સોંપ્યું. સર્વ ઇઝરાયલી લોકોએ દાવિદ પાસે હેબ્રોન જઈને તેને કહ્યું, “અમે તારા નિકટનાં કુટુંબીઓ છીએ. ભૂતકાળમાં શાઉલ અમારો રાજા હતો ત્યારે પણ યુદ્ધની અવરજવરમાં તું જ અમારો અગ્રેસર હતો. તારા ઈશ્વર પ્રભુએ તને વચન આપ્યું હતું કે તું તેમના લોકોનો પાલક અને અધિપતિ બનશે.” એમ ઇઝરાયલી લોકોના સર્વ આગેવાન દાવિદ પાસે હેબ્રોનમાં એકત્ર થયા. ત્યાં દાવિદે પ્રભુની સમક્ષ તેમની સાથે કરાર કર્યો અને શમુએલ દ્વારા પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે દાવિદનો અભિષેક કર્યો અને તે ઇઝરાયલનો રાજા બન્યો. દાવિદ રાજાએ અને સર્વ ઇઝરાયલીઓએ યરુશાલેમ પર ચડાઈ કરી. ત્યારે તે યબૂસ તરીકે ઓળખાતું હતું અને દેશના મૂળ રહેવાસી યબૂસીઓ તેમાં રહેતા હતા. યબૂસીઓએ દાવિદને કહ્યું કે તું નગરમાં પ્રવેશી શકવાનો નથી; પણ દાવિદે તેમનો સિયોનનો કિલ્લો જીતી લીધો. તે પછી તે “દાવિદનગર” કહેવાયો. દાવિદે કહ્યું, “જે કોઈ યબૂસીઓ પર પ્રથમ ત્રાટકે તે સેનાપતિ બનશે!” યોઆબે સૌ પ્રથમ હુમલો કર્યો અને સેનાપતિ બન્યો. તેની માનું નામ સરૂયા હતું. દાવિદ એ કિલ્લામાં રહેવા ગયો તેથી તે ‘દાવિદનગર’ તરીકે ઓળખાયો. ટેકરીની પૂર્વ તરફ જ્યાં જમીનનું પુરાણ થઈ ગયું હતું. ત્યાંથી શરૂ કરી તેણે શહેરને ફરીથી બાંધ્યું. બાકીના શહેરને યોઆબે સમાર્યું. દાવિદ વધારે ને વધારે બળવાન થતો ગયો; કારણ, સેનાધિપતિ પ્રભુ તેની સાથે હતા. દાવિદના શૂરવીર યોદ્ધાઓ જેમણે તેને પૂરો ટેકો આપ્યો અને પ્રભુએ દાવિદને આપેલા વચન પ્રમાણે સૌ ઈઝરાયલીઓની સાથમાં રહીને તેના રાજ્યને સંગીન બનાવવા સહાય કરી, તેમની યાદી આ પ્રમાણે છે: પ્રથમ હાખ્મોનના ગોત્રનો યાશોબ્યામ હતો. તે ત્રણ શૂરવીરોમાં મુખ્ય હતો. તે રફાઈમના ખીણપ્રદેશમાં ત્રણસો માણસો સાથે પોતાના ભાલા વડે લડયો અને એક લડાઈમાં જ એ બધાને મારી નાખ્યા. ખ્યાતનામ ત્રણ શૂરવીરોમાં બીજો અહોના ગોત્રના દોદોનો પુત્ર એલાઝાર હતો. પાસ-દામ્મીમમાં પલિસ્તીઓ સાથેની લડાઈમાં તે દાવિદને પક્ષે લડયો હતો. ઇઝરાયલીઓ ભાગવા લાગ્યા ત્યારે તે જવના ખેતરમાં હતો. તે અને તેના માણસો ખેતરની મધ્યે અડીખમ રહી પલિસ્તીઓ સાથે લડયા. પ્રભુએ તેને મહાન વિજય પમાડયો. એક દિવસે ત્રીસ અગ્રગણ્ય યોદ્ધાઓમાંના ત્રણ શૂરવીરો દાવિદ જ્યાં રહેતો હતો એ અદુલ્લામની ગુફા પાસે આવેલ ખડકે ગયા. પલિસ્તીઓએ રફાઈમમાં પડાવ નાખ્યો હતો. એ વખતે દાવિદ ગઢમાં હતો અને પલિસ્તીઓએ બેથલેહેમનો કબજો લીધો હતો. દાવિદે આતુરતાપૂર્વક કહ્યું, “બેથલેહેમમાં દરવાજા પાસે આવેલા કૂવાનું પાણી લાવીને મને કોઈ પીવડાવે તો કેવું સારું!” પેલા ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણી પાર કરી કૂવામાંથી પાણી કાઢી લાવી દાવિદને આપ્યું. પણ તેણે તે પીધું નહિ, પણ પ્રભુને પેયાર્પણ તરીકે ચઢાવતાં રેડી દીધું. તેણે કહ્યું, “ઈશ્વરને સમક્ષ રાખીને હું એ પીઉં એવું તે ન થવા દો. એ તો પોતાના જાન જોખમમાં નાખનાર આ માણસોનું રક્ત પીવા બરાબર છો!” એમ તેણે તે પાણી પીવાની ના પાડી. ત્રણ શૂરવીર યોદ્ધાઓનાં એ પરાક્રમ છે. યોઆબનો ભાઈ અબિશાય ખ્યાતનામ ત્રીસ યોદ્ધાઓનો આગેવાન હતો. લડાઈમાં ત્રણસો માણસોને પોતાના ભાલા વડે મારી નાખ્યા અને ત્રીસમાં પ્રખ્યાત બન્યો. ત્રીસ યોદ્ધાઓમાં તે સૌથી પ્રખ્યાત હતો અને તેમનો આગેવાન બન્યો પણ તે પેલા ત્રણ શૂરવીરોની બરાબરી કરી શક્યો નહિ. કાબ્સએલના વતની યહોયાદાનો પુત્ર બનાયા પરાક્રમી યોદ્ધો હતો. મોઆબના બે મહાન યોદ્ધાઓને મારી નાખવા ઉપરાંત તેણે બીજાં ઘણાં પરાક્રમી કામો કર્યાં હતાં. એક દિવસે હિમવર્ષા થતી હતી ત્યારે તેણે બોડમાં જઈને સિંહને મારી નાખ્યો હતો. તેણે બે મીટર ઊંચા કદાવર ઇજિપ્તીને મારી નાખ્યો. એ ઇજિપ્તી પાસે સાળના પાટડા જેવો મોટો ભાલો હતો. બનાયાએ એક લાકડી વડે ઇજિપ્તી પર હુમલો કરીને તેના હાથમાંથી ભાલો ખૂંચવી લીધો અને તેના વડે જ તેને પૂરો કર્યો. એ બનાયાનાં પરાક્રમી કામો હતાં. તે ત્રીસમાંનો એક હતો. પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાવિદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી બનાવ્યો હતો. બીજા શૂરવીર સૈનિકો આ પ્રમાણે છે: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન, હારોરનો વતની શામ્મોથ, પેલોનનો વતની હેલેસ, તકોઆ નગરના ઈક્કેશનો પુત્ર ઈરા, અનાથોથમાંનો અબિએઝેર, હુશામાંનો સિબ્બેક્ય, અહોમાંનો ઈલાય, નટોફામાંનો મહારાય, નટોફામાંના બાનાનો પુત્ર હેલેદ, બિન્યામીનના ગિલ્યાદમાંના રિબઈનો પુત્ર ઇથાય, પિરાથોનમાંનો બનાયા, ગાશનાં ઝરણાં પાસેનો વતની હુરાય, આર્બામાંનો અબિએલ, બાહુરીમમાંનો આઝમાવેથ, શાલ્બોનમાંનો એલ્યાબા, ગેઝોનમાંનો હાશેમ, હારારમાંના શાગેનો પુત્ર યોનાથાન, હારારમાંના સાખારનો પુત્ર અહિયામ, ઉરનો પુત્ર એલિફાલ, મખેરામાંનો હેફેર, પેલોનમાંનો અહિયા, ર્કામેલમાંનો હેઝો, એસ્બાયનો પુત્ર નારાય, નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો પુત્ર મિબ્હાર, આમ્મોનમાંનો સેલેક, બેરોથમાંનો યોઆબનો શસ્ત્રવાહક નાહારાય, યાત્તિરમાંનો ઈરા અને ગારેબ, ઉરિયા હિત્તી, આહલાયનો પુત્ર ઝાબાદ, શિઝાનો પુત્ર અદિના (તે રૂબેનના કુળનો અગ્રગણ્ય સભ્ય હતો અને તેની પોતાની ત્રીસ સૈનિકોની ટુકડી હતી), માખાનો પુત્ર હાનાન, મિથાનમાંનો યહોશાફાટ, આશ્તેરામાંનો ઉઝિઝયા, અરોએરમાંના હોથામના પુત્રો શામા અને યેઈએલ, તીઝમાંના શિમ્રીના પુત્રો યદીએલ અને યોહા, માહવામાંનો એલિયેલ, એલ્નામ અને ઈથ્માના, પુત્રો યરીબઆલ અને યોશાવ્યા, મોઆબી યિથ્મા, સોબામાંના એલિયેલ, યોબેદ અને યાહસીએલ. દાવિદ કીશના પુત્ર શાઉલ રાજાથી નાસી છૂટીને સિકલાગમાં રહેતો હતો ત્યારે યુદ્ધમાં મદદરૂપ થનાર ઘણા અનુભવી શૂરવીર પુરુષો તેની સાથે જોડાઈ ગયા. તેઓ શાઉલના બિન્યામીનના કુળના હતા. તેઓ નિપુણ તીરંદાજ હતા અને જમણે કે ડાબે હાથે બાણ મારી શક્તા અને ગોફણથી પથ્થર મારી શક્તા. તેઓ ગિબ્યા નગરના શમ્માના પુત્રો અહિએઝેર અને યોઆશની સરદારી હેઠળ હતા. એ સૈનિકો આ પ્રમાણે છે: આઝમાવેથના પુત્રો યેઝિયેલ અને પેલેટ, અનાથોથમાંના બરાખા તથા યેહૂ, શૂરવીર સૈનિકો અને “ત્રીસ યોદ્ધાઓ” આગેવાન ગિબ્યોનમાંનો યિશ્માયા, ગદેરાનગરના યર્મિયા, યહઝિયેલ, યોહાનાન અને યોઝાબાદ; હારીફમાંના એલુઝાય, યરીમોથ, બાલિયા, શમાર્યા અને શફાટયા; કોરાના વંશજો એલ્કાના, યિશિયા, અઝારએલ, યોઝેર, યશોબ્યામ; ગેદોરમાંના યોએલા અને ઝબાયા, *** *** *** *** દાવિદ વેરાનપ્રદેશમાં ગઢમાં હતો ત્યારે તેના સૈન્યમાં ગાદના કુળમાંથી જોડાનાર યુદ્ધકુશળ શૂરવીર સૈનિકોનાં નામ આ છે. તેઓ ઢાલ અને ભાલા વાપરવામાં પાવરધા હતા. વળી, સિંહના જેવા વિકરાળ અને પહાડી હરણના જેવા ચપળ હતા. તેમની કક્ષા આ ક્રમ પ્રમાણે હતી: એઝેર, ઓબાદ્યા, એલિયાબ, મિશમાન્‍ના, યર્મિયા, આત્તાય, એલિયેલ, યોહાનાન, એલ્ઝાબાદ, યર્મિયા અને માખ્બાન્‍નાય. *** *** *** *** ગાદકુળના આ માણસોમાં ઉચ્ચકક્ષાના અધિપતિ હજારહજારની ટુકડીના અને ઉતરતી કક્ષાના અધિપતિ સો સોની ટુકડીના હવાલામાં હતા. એકવાર વર્ષના પ્રથમ માસમાં, જ્યારે યર્દન નદી બન્‍ને કાંઠે છલક્તી હતી ત્યારે નદી પાર કરીને એના પૂર્વ અને પશ્ર્વિમ કિનારે આવેલ ખીણપ્રદેશમાં રહેતા સર્વ લોકોને તેમણે નસાડી મૂક્યા હતા. એકવાર બિન્યામીન અને યહૂદાના કુળમાંથી કેટલાક માણસો દાવિદની પાસે ગઢમાં આવ્યા. દાવિદ તેમને મળવા આવ્યો અને તેમને કહ્યું, “તમે મને મિત્રભાવે સહાયને માટે આવ્યા હો તો હું તમારું સ્વાગત કરું છું. અમારી સાથે જોડાઈ જાઓ! પણ હું તમને કંઈ નુક્સાન કરું નહિ તો ય તમે મને દગાથી મારા શત્રુઓને સ્વાધીન કરો તો આપણા પૂર્વજોના ઈશ્વર એ ધ્યાનમાં લઈને તમને શિક્ષા કરો.” ઈશ્વરના આત્માએ દાવિદના ત્રીસ શૂરવીરોના ઉપરી અમાસાયનો કબજો લીધો અને તે બોલી ઊઠયો, “હે દાવિદ, અમે તારા છીએ! હે યિશાઇપુત્ર, અમે તારે પક્ષે છીએ. તારો જય હો! તારા સાથીદારોનો જય હો! ઈશ્વર તારી સહાય કરનાર છે!” દાવિદે તેમનો સ્વીકાર કર્યો અને તેમને લશ્કરમાં અધિકારીઓ બનાવ્યા. શાઉલ રાજા સામે લડવાને દાવિદ પલિસ્તીઓ સાથે ગયો ત્યારે મનાશ્શાકુળના કેટલાક માણસો દાવિદના પક્ષમાં ભળી ગયા. વાસ્તવમાં, તેણે પલિસ્તીઓને મદદ કરી નહોતી; કારણ, પલિસ્તીઓના રાજવીઓને ડર હતો કે દાવિદ તેના અગાઉના માલિક શાઉલ તરફ ફરી જઈ તેમને દગો કરે તો તેમનાં શિર જોખમમાં મૂક્ય. તેથી તેમણે તેને પાછો સિકલાગ મોકલી દીધો હતો. દાવિદ પાછો ફરતો હતો ત્યારે તેના પક્ષમાં ભળી જનાર સૈનિકો આ છે: આદના, યોઝાબાદ, યદિયેલ, મિખાયેલ, યોઝાબાદ એલીહૂ અને સિલ્લથાય. તેઓ બધા મનાશ્શાના કુળના સહસ્ત્રાધિપતિઓ હતા. તેઓ દાવિદની લશ્કરી ટુકડીઓના અધિકારીઓ હતા; કારણ તેઓ સૌ કુશળ યોદ્ધાઓ હતા. પાછળથી તેઓ ઇઝરાયલી સૈન્યમાં સેનાપતિઓ થયા. દાવિદના સૈન્યમાં રોજરોજ માણસો ઉમેરાતા જતા હતા તેથી તેનું સૈન્ય ઈશ્વરના સૈન્ય જેવું મોટું થઈ ગયું. પ્રભુએ આપેલા સંદેશ પ્રમાણે શાઉલને સ્થાને દાવિદને રાજા બનાવવા ઘણા તાલીમબદ્ધ સૈનિકો તેને હેબ્રોનમાં આવી મળ્યા હતા. તેમની સંખ્યા આ પ્રમાણે છે: યહૂદાના વંશના: ઢાલ અને ભાલાધારી એવા 6,800 સુસજ્જ સૈનિકો; શિમયોનના વંશના: 7,100 તાલીમબદ્ધ સૈનિકો; લેવીના વંશના: કુલ 4,600 સૈનિકો; આરોનના વંશજ યહોયાદાના હાથ નીચેના 3,700 સૈનિકો; યુવાન પરાક્રમી યોદ્ધા સાદોકના સંબંધીઓ: 22 શૂરવીરો. બિન્યામીનના વંશના (શાઉલના પોતાના કુળના): 3,000 સૈનિકો. (બિન્યામીન કુળના મોટા ભાગના લોકો શાઉલને વફાદાર રહ્યા હતા); એફ્રાઈમના વંશના: પોતાના ગોત્રના 20,800 શૂરવીર સૈનિકો; પશ્ર્વિમમાં વસેલા મનાશ્શાના વંશના: દાવિદને રાજા બનાવવા પસંદ કરીને મોકલાયેલ 18,000 સૈનિકો; ઇસ્સાખારના વંશના: 200 આગેવાનો અને તેમના હાથ નીચેના માણસો (ઇઝરાયલે ક્યારે શાં પગલાં ભરવાં એનો નિર્ણય કરવામાં એ આગેવાનો બાહોશ હતા.); ઝબુલૂનના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 50,000 વફાદાર લડવૈયા; નાફતાલીના વંશના: 1000 આગેવાનો અને તેમની સાથેના ઢાલ અને ભાલાધારી 37,000 સૈનિકો; દાનના વંશના: 28,600 તાલીમબદ્ધ સૈનિકો; આશેરના વંશના: યુદ્ધને માટે સુસજ્જ 40,000 સૈનિકો; યર્દનની પૂર્વ તરફના રૂબેન, ગાદ અને પૂર્વમાં વસેલા મનાશ્શાના વંશના: સર્વ પ્રકારનાં શસ્ત્રો વાપરવામાં તાલીમ પામેલા 1,20,000 સૈનિકો. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** આ બધા શૂરવીર લડવૈયા દાવિદને સમસ્ત ઇઝરાયલ પર રાજા બનાવવાનો દૃઢ નિશ્ર્વય કરી હેબ્રોન આવ્યા હતા. બધા ઇઝરાયલીઓ પણ દાવિદને રાજા બનાવવાની બાબતમાં એકમત હતા. તેઓ દાવિદ સાથે ત્રણ દિવસ રહ્યા અને ખાઈપીને ઉત્સવ કર્યો. વળી, છેક ઉત્તરના ઇસ્સાખાર, ઝબુલૂન અને નાફતાલીનાં કુળોમાંથી તેમના પડોશીબધુંઓ પણ ગધેડાં, ઊંટો, ખચ્ચર અને બળદો પર લોટ અને ખારેક, અંજીરનાં ચક્તાં, દ્રાક્ષની લૂમો, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલ લાદીને લાવ્યા હતા. કાપીને ખાવા માટે તેઓ પશુ અને ઘેટાં પણ લાવ્યા હતા. કારણ, આખા ઇઝરાયલ દેશમાં આનંદ વ્યાપી રહ્યો હતો. દાવિદે સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ એટલે સર્વ આગેવાનો સાથે મંત્રણા કરી. પછી ઇઝરાયલના સર્વ લોકો સમક્ષ ઘોષણા કરી કે, “તમને સૌને પસંદ હોય અને પ્રભુની ઇચ્છા હોય તો આપણે બાકીના આપણા સર્વ દેશબાંધવોને પોતપોતાનાં નગરોમાં તેમજ તેમની આસપાસનાં ગૌચરોમાં વસતા યજ્ઞકારો અને લેવીઓને આપણી પાસે અહીં એકત્ર થવા સંદેશકો મોકલીને કહેવડાવીએ. પછી જઈને ઈશ્વરની કરારપેટી લઈ આવીએ; કારણ; શાઉલ રાજા હતો ત્યારે આપણે તેની ઉપેક્ષા સેવી હતી.” સમગ્ર સભાને એ વાત પસંદ પડી; તેથી સૌએ તેમ કરવા સંમતિ આપી. તેથી કિર્યાથ-યારીમથી કરારપેટીને યરુશાલેમ લાવવા દાવિદે દક્ષિણમાં ઇજિપ્તની સરહદે આવેલ શિહોરથી ઉત્તરમાં હમાથઘાટ સુધી સમસ્ત દેશના ઇઝરાયલી લોકોને એકત્ર કર્યા. ઈશ્વરની કરારપેટી જે પાંખવાળાં પ્રાણીઓ પર બિરાજમાન ઈશ્વર યાહવેનું નામ ધારણ કરે છે તેને બાલાનગર, એટલે યહૂદિયા પ્રાંતમાં આવેલ કિર્યાથ-યારીમથી લઈ આવવા સારુ દાવિદ અને લોકો ઉપડયા. તેમણે અબિનાદાબના ઘરમાંથી કરારપેટી બહાર કાઢીને નવા ગાડામાં મૂકી. ઉઝઝા તથા આહ્યો ગાડું હાંક્તા હતા, જ્યારે દાવિદ અને સર્વ ઈઝરાયલીઓ ઈશ્વરની સમક્ષ વીણા, સિતાર, ડફ, ઝાંઝ તથા રણશિંગડાં વગાડતા વગાડતા પૂરા જોરશોરથી નાચતા અને ગાતા હતા. તેઓ કિદોનના ખળા પાસે આવ્યા ત્યારે ત્યાં બળદોએ ઠોકર ખાધી, એટલે ઉઝઝાએ પોતાનો હાથ લંબાવી કરારપેટીને પકડી લીધી. તરત જ ઉઝ્ઝા પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને કરારપેટીને અડકવા બદલ તેને મારી નાખ્યો. તે ત્યાં ઈશ્વરની સમક્ષ મૃત્યુ પામ્યો. તેથી, એ સ્થળનું નામ પેરેસ-ઉઝઝા (અર્થાત્ ઉઝ્ઝા પર ત્રાટકવું) પડયું, અને તે આજદિન સુધી એ જ નામે ઓળખાય છે. પ્રભુએ પોતાના કોપમાં ઉઝઝાને શિક્ષા કરી તેથી દાવિદ ગુસ્સે થઈ ગયો. તે દિવસે દાવિદે ઈશ્વરથી ગભરાઈ જઈને કહ્યું, “હવે હું કરારપેટી કેવી રીતે લઈ જઉં?” તેથી દાવિદ તેને પોતાની સાથે દાવિદનગરમાં લઈ ગયો નહિ. એને બદલે, તેણે એને ગાથના વતની ઓબેદઅદોમના ઘરમાં રાખી. તે ત્યાં ત્રણ માસ રહી, અને પ્રભુએ ઓબેદઅદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશિષ આપી. તુરના રાજા હિરામે દાવિદ પાસે એલચીઓ મોકલ્યા અને રાજમહેલ બાંધવા ગંધતરુનાં લાકડાં, કડિયા તથા સુથારો મોકલ્યા. તેથી દાવિદને ખબર પડી કે પ્રભુએ તેને ઇઝરાયલના રાજા તરીકે સ્થાપન કર્યો છે અને તેના લોકને માટે તેના રાજ્યનો વૈભવ ઘણો વધાર્યો છે. દાવિદે યરુશાલેમમાં બીજી વધારે પત્નીઓ કરી અને તેને ઘણા પુત્રો-પુત્રીઓ થયાં. યરુશાલેમમાં થયેલાં તેનાં સંતાન આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, શલોમોન, યિબ્હાર, એલિશૂઆ, એલપેલેટ, નોગા, નેફેગ, યાફિયા, એલિશામા, બિલ્યાદા અને એલિફેલેટ. દાવિદને આખા ઇઝરાયલ દેશનો રાજા બનાવવામાં આવ્યો છે એવું પલિસ્તીઓએ સાંભળ્યું ત્યારે તેઓ તેને પકડવા ચઢી આવ્યા. તેથી દાવિદે પણ તેમનો સામનો કરવા કૂચ કરી. પલિસ્તીઓએ રફાઈમના ખીણપ્રદેશમાં આવીને લૂંટ ચલાવી. દાવિદે ઈશ્વરને પૂછયું, “હું પલિસ્તીઓ પર હુમલો કરું? મને વિજય અપાવશો?” પ્રભુએ કહ્યું, “જા, હુમલો કર! હું તને વિજય અપાવીશ.” તેથી દાવિદે બઆલ-પરાસીમ પાસે તેમના પર હુમલો કરી તેમને હરાવ્યા. તેણે કહ્યું, “પૂરનાં પાણી પાળ તોડી પાડે તેમ ઈશ્વરે મારા દ્વારા શત્રુના સૈન્યનો સંહાર કર્યો છે.” તેથી તે સ્થળનું નામ બઆલ-પરાસીમ (તોડી પાડનાર પ્રભુ) પાડયું. પલિસ્તીઓ તેમની મૂર્તિઓને પોતાની પાછળ છોડી દઈને ભાગી છૂટયા. દાવિદે તે મૂર્તિઓને બાળી નંખાવી. થોડા જ વખત પછી પલિસ્તીઓ રફાઈમના ખીણપ્રદેશમાં ફરી વાર આવીને લૂંટ ચલાવવા લાગ્યા. દાવિદે ફરી ઈશ્વરને પૂછયું, તો તેમણે જવાબ આપ્યો, “અહીંથી હુમલો કરીશ નહિ, પણ ચકરાવો ખાઈને સામેની બાજુએ જા અને ત્યાં શેતુરનાં વૃક્ષો પાસે હુમલો કરવા તૈયાર રહે. તું વૃક્ષોની ટોચ પર કૂચ કરવાનો અવાજ સાંભળે ત્યારે હુમલો કરજે; કારણ પલિસ્તીઓનો પરાજય કરવા હું તારી આગળ આગળ કૂચ કરીશ.” દાવિદે ઈશ્વરના આદેશ પ્રમાણે કર્યું અને એમ તેમણે ગિબ્યોનથી છેક ગેઝર સુધી પલિસ્તીઓને મારી હઠાવ્યા. દાવિદની કીર્તિ સર્વત્ર પ્રસરી ગઈ અને પ્રભુએ બધાં રાષ્ટ્રો પર તેની ધાક બેસાડી. દાવિદે પોતાને માટે દાવિદ- નગરમાં મહેલો બંધાવ્યા. તેણે ઈશ્વરની કરારપેટી માટે જગા તૈયાર કરી અને તેને માટે મંડપ ઊભો કર્યો. પછી તેણે કહ્યું, “માત્ર લેવીઓએ જ કરારપેટી ઉપાડવી; કારણ, પ્રભુએ તેમને જ તે ઊંચકવા અને હંમેશને માટે તેમની સેવા કરવા પસંદ કર્યા છે.” તેથી દાવિદે તૈયાર કરેલા સ્થાનમાં કરારપેટી લઈ આવવા માટે તેણે ઇઝરાયલના બધા લોકોને યરુશાલેમમાં એકઠા કર્યા. તેણે આરોનના વંશજો અને લેવીઓને પણ બોલાવી લીધા. કહાથના લેવીકુળના ગોત્રમાંથી ઉરિયેલ તેના હાથ નીચેના તેના 120 ગોત્રબધું સહિત આવ્યો. મરારીના ગોત્રમાંથી અસાયા આવ્યો; તેના હાથ નીચે 220 હતા; ગેર્શોનના ગોત્રમાંથી યોએલ આવ્યો; તેના હાથ નીચે 130 હતા; એલિસાફાનના ગોત્રમાંથી શમાયા આવ્યો, તેના હાથ નીચે 200 હતા; હેબ્રોનના ગોત્રમાંથી એલિયેલ આવ્યો, તેના હાથે નીચે 80 હતા; અને ઉઝિયેલના ગોત્રમાંથી આમ્મીનાદાબ આવ્યો, તેના હાથ નીચે 112 હતા. દાવિદે સાદોક અને અબ્યાથાર યજ્ઞકારોને તેમજ ઉરિયેલ, અસાયા, યોએલ શમાયા, એલિયેલ અને આમ્મીનાદાબ એ છ લેવીઓને બોલાવ્યા. તેણે લેવીઓને કહ્યું, “તમે લેવીઓનાં ગોત્રના આગેવાન છો. તમે અને તમારા સાથી લેવીભાઈઓ શુદ્ધ થાઓ; જેથી મેં જે સ્થાન ઇઝરાયલના ઈશ્વર પ્રભુની કરારપેટી માટે તૈયાર કર્યું છે તેમાં તમે તેને લાવી શકો. પ્રથમ વખતે તમે તેને ઊંચકી નહોતી; તેથી આપણા ઈશ્વર પ્રભુ અમારા પર તૂટી પડયા; કારણ, નિયત કરેલી પદ્ધતિ પ્રમાણે અમે તેમની સમક્ષ ગયા નહિ.” તેથી ઇઝરાયલના ઈશ્વર પ્રભુની કરારપેટી લાવવા માટે યજ્ઞકારો અને લેવીઓએ પોતાને શુદ્ધ કર્યા. પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા પ્રમાણે લેવીઓએ કરારપેટીને દાંડા વડે પોતાને ખભે ઉપાડી લીધી. દાવિદે લેવીઓના આગેવાનોને સિતાર, વીણા અને ઝાંઝ સાથે મોટે સાદે અને આનંદપૂર્વક ગાયનવાદન કરવા માટે તેમના લેવી ભાઈઓની નિમણૂક કરવા કહ્યું. ગાયકોના ગોત્રમાંથી તેમણે નીચેના માણસોને તાંબાનાં ઝાંઝ વગાડવા રાખ્યા: યોએલનો પુત્ર હેમાન, તેના સંબંધી બેરખ્યાનો પુત્ર આસાફ અને કુશાયાનો પુત્ર એથાન. એ મરારીના ગોત્રના હતા. તેમની મદદમાં તેમણે નીચેના લેવીઓને તીવ્ર સ્વરે સિતાર વગાડવા પસંદ કર્યા: ઝખાર્યા, બની, યાહસિયેલ, શમિરામોથ, યેહિયેલ, ઉન્‍ની, એલ્યાબ, માશેયા અને બનાયા. મૃદુ સ્વરે વીણા વગાડવા તેઓએ નીચેના લેવીઓને પસંદ કર્યા: મત્તિથ્યા, એલિફેલેહુ, મિકનેયા, અઝીઝયા અને મંદિરના રક્ષકો ઓબેદ, અદોમ તથા યેઈએલ. *** *** *** *** કનાન્યા સંગીતમાં પ્રવીણ હોવાથી તેને લેવી સંગીતકારોના આગેવાન તરીકે પસંદ કર્યો હતો. બેરેખ્યા અને એલ્કાના ઉપરાંત ઓબેદ-અદોમ અને યહિયાને કરારપેટીના સંરક્ષકો તરીકે પસંદ કર્યા હતા. શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાય, ઝખાર્યા, બનાયા અને એલિએઝર યજ્ઞકારોને કરારપેટીની આગળ રણશિંગડાં વગાડવા પસંદ કર્યા હતા. *** આમ, દાવિદ રાજા, ઇઝરાયલના આગેવાનો અને સહાધિપતિઓ આનંદપૂર્વક ઓબેદ-અદોમના ઘરમાંથી કરારપેટી લાવવા ગયા. પ્રભુની કરારપેટી ઉપાડવામાં ઈશ્વર લેવીઓની મદદ કરે તે માટે તેમણે સાત આખલા અને સાત ઘેટાંનું બલિદાન આપ્યું. દાવિદે ઝીણા અળસીરેસાનાં વસ્ત્રનો ઝભ્ભો પહેર્યો હતો. એ જ પ્રમાણે સંગીતકારો, તેમનો આગેવાન કનાન્યા અને કરારપેટી ઉપાડનાર લેવીઓએ ઝીણા અળસી રેસાનાં વસ્ત્રના ઝભ્ભા પહેરેલા હતા. દાવિદે એફોદ પણ પહેર્યો હતો. એમ સર્વ ઇઝરાયલીઓ હર્ષનાદસહિત, શરણાઈ, રણશિંગડાં તથા ઝાંઝ વગાડતાં અને મોટેથી સિતાર અને વીણાના વાદન સાથે પ્રભુની કરારપેટી યરુશાલેમ લઈ આવ્યા. કરારપેટી શહેરમાં આવી રહી હતી ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી દાવિદને આનંદથી નાચતોકૂદતો જોયો, અને તેને તેના પર નફરત આવી. તેમણે કરારપેટી લાવીને તેને માટે દાવિદે તૈયાર કરેલા મંડપમાં તેને મૂકી. પછી તેમણે ઈશ્વરને દહનબલિ અને સંગતબલિ ચઢાવ્યા. એ અર્પણો ચઢાવ્યા પછી દાવિદે ઈશ્વર યાહવેને નામે લોકોને આશીર્વાદ આપ્યો, અને તેમને સૌને ખોરાક આપ્યો. તેણે પ્રત્યેક ઇઝરાયલી પુરુષ અને સ્ત્રીને એકએક રોટલો, શેકેલા માંસનો કટકો અને થોડીક સૂકી દ્રાક્ષો આપ્યાં. પ્રાર્થના કરવા, કીર્તન ગાવા અને સ્તુતિ કરવા અને એમ પ્રભુની કરારપેટીની આગળ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની આરાધના કરવા દાવિદે કેટલાક લેવીઓને નીમ્યા. આસાફ આગેવાન હતો અને ઝખાર્યા તેનો મદદનીશ હતો. યહઝિએલ, શમિરામોથ, યેહિયેલ, માત્તિથ્યા, એલ્યાબ, બનાયા, ઓબેદ-અદોમ અને યેઈએલે વીણા તથા સિતાર બજાવવાની હતી; અને આસાફે ઝાંઝ વગાડવાનાં હતાં. બનાયા અને યહઝિયેલ એ બે યજ્ઞકારોએ ઈશ્વરની કરારપેટી સમક્ષ નિયમિત રીતે રણશિંગડાં ફૂંકવાનાં હતાં. દાવિદે પ્રથમ જ વાર આસાફ અને તેના ભાઈઓને પ્રભુનાં સ્તવન ગાવાનું કાર્ય એ વખતે સોંપ્યું. પ્રભુનો આભાર માનો, તેમની મહત્તા પ્રગટ કરો; પ્રજાઓમાં તેમનાં કાર્યો જાહેર કરો. તેમનાં ગુણગાન ગાઓ, તેમનું સ્તવન કરો; તેમનાં અદ્‍ભુત કાર્યો જણાવો. તમે તેમના પવિત્ર નામ વિષે ગર્વ કરો; પ્રભુના ભક્તોનાં હૃદય આનંદિત થાઓ. સહાયને માટે પ્રભુ તથા તેમના સામર્થ્યને શોધો, નિત્ય તેમની સન્મુખ ભજન કરો. ઈશ્વરના સેવક ઇઝરાયલનાં સંતાનો, તેમના પસંદ કરેલ યાકોબના વંશજો, ઈશ્વરનાં અદ્‍ભુત કાર્યો, તેમના ચમત્કારો અને તેમનાં ફરમાન યાદ કરો. *** તે આપણા ઈશ્વર પ્રભુ છે, તેમનાં ફરમાન સમસ્ત દુનિયા માટે છે. ઈશ્વર પોતાનો કરાર સર્વકાળ અને પોતાનું વચન હજારો પેઢીઓ સુધી સંભારે છે. હા, અબ્રાહામ સાથે કરેલા પોતાના કરારને અને ઇસ્હાક આગળ લીધેલા શપથને તે યાદ રાખે છે. તેમણે યાકોબ આગળ એ ફરમાનનું અને ઇઝરાયલ આગળ એ કરારનું સમર્થન કર્યું. તેમણે કહ્યું, “હું તને કનાન દેશ આપીશ; તે તારી પોતાની વારસાગત મિલક્ત બનશે.” ઈશ્વરના લોક સંખ્યામાં જૂજ હતા; તેઓ કનાન દેશમાં અજાણ્યા હતા. તેઓ એક દેશમાંથી બીજા દેશમાં અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્તા હતા. પરંતુ પ્રભુએ એમના પર કોઈનો જુલમ થવા દીધો નહિ; તેમનું રક્ષણ કરવા તેમણે રાજાઓને ધમકી આપી. મારા અભિષિક્ત સેવકોને સ્પર્શ કરશો નહિ; મારા સંદેશવાહકોને કંઈ હાનિ પહોંચાડશો નહિ. સમસ્ત દુનિયા પ્રભુનાં ગુણગાન ગાઓ, તેમણે આપણને બચાવ્યા છે; એમનો વિજય પ્રતિદિન જાહેર કરો. પ્રજાઓ મધ્યે તેમનો મહિમા પ્રગટ કરો, સર્વ લોકોમાં તેમનાં મહાન કાર્યો જાહેર કરો. પ્રભુ મહાન અને અત્યંત સ્તુતિપાત્ર છે; અન્ય દેવોની તુલનામાં માત્ર તે જ આરાધ્ય છે. અન્ય પ્રજાઓના દેવો તો માત્ર મૂર્તિઓ જ છે; પણ પ્રભુ તો આકાશોના સર્જનહાર છે. તેમની સન્મુખ મહિમા અને પ્રતાપ છે; તેમનો આવાસ સામર્થ્ય અને આનંદથી ભરપૂર છે. હે પૃથ્વીના લોકો, તમે પ્રભુની સ્તુતિ કરો, તેમના ગૌરવ અને સામર્થ્યની પ્રશંસા કરો. પ્રભુના ગૌરવી નામની પ્રશંસા કરો, અર્પણ લઈને તેમના મંદિરમાં આવો; પવિત્ર વસ્ત્રો ધારણ કરીને પ્રભુને નમન કરો. આખી પૃથ્વી તેમની આગળ ધ્રૂજો! પૃથ્વી તેના સ્થાનમાં એવી રીતે સ્થિર કરાયેલી છે કે તેને હલાવી શકાય નહિ. આકાશો આનંદ કરો, પૃથ્વી હર્ષ પામો, અને પ્રજાઓ સમક્ષ જાહેર કરો કે, “પ્રભુ રાજ કરે છે!” સમુદ્ર અને તેમાંના સજીવો ગર્જના કરો! ખેતરો અને તેમાંનું સર્વસ્વ આનંદ કરો. પ્રભુ પૃથ્વી પર રાજ ચલાવવા આવશે ત્યારે વનનાં વૃક્ષો પ્રભુ સમક્ષ હર્ષનાદ કરશે. પ્રભુનો આભાર માનો; કારણ, તે ઉત્તમ છે; તેમનો પ્રેમ સનાતન છે. તેમને કહો, “હે ઈશ્વર, અમારા ઉદ્ધારક, અમારો બચાવ કરો; અમને એકત્ર કરો; વિદેશી પ્રજાઓથી અમારો છુટકારો કરો, જેથી અમે તમારો આભાર માનીએ અને તમારા પવિત્ર નામની પ્રશંસા કરીએ.” ઇઝરાયલના ઈશ્વર યાહવે અનાદિકાળથી અનંતકાળ પર્યંત સ્તુત્ય હો! ત્યારે સર્વ લોકોએ “આમીન” બોલીને પ્રભુની સ્તુતિ કરી. દાવિદ રાજાએ પ્રભુની કરારપેટીની નિત્યની નિયત સેવાર્થે આસાફ અને તેના સાથી લેવીઓની નિમણૂક કરી. યદૂથૂનના પુત્ર ઓબેદ-અદોમ અને તેમના કુટુંબનાં અડસઠ માણસોએ તેમને મદદ કરવાની હતી. હોસા અને ઓબેદ- અદોમ દ્વારપાળ હતા. પણ સાદોક યજ્ઞકાર અને તેના સાથી યજ્ઞકારો ગિબ્યોનમાં ભજનના ઉચ્ચસ્થાનની સેવા માટે નીમાયા હતા. પ્રભુએ ઇઝરાયલીઓને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તેઓએ રોજ સવારે અને સાંજે વેદી પર સંપૂર્ણ દહનબલિ ચઢાવવાનો હતો. એમની સાથે હેમાન, યદૂથૂન અને બીજા કેટલાક હતા, જેમને પ્રભુના સનાતન પ્રેમ માટે તેમની સ્તુતિ કરવા ખાસ નીમવામાં આવ્યા હતા. સ્તુતિનાં ગીતો ગવાય ત્યારે હેમાન અને યદુથૂને રણશિંગડાં, ઝાંઝ અને બીજાં વાજિંત્રો પણ વગાડવાનાં હતાં. યદૂથૂનના કુટુંબના માણસો દ્વારપાળ હતા. પછી સૌ પોતાને ઘેર ગયા, અને દાવિદ પણ પોતાના કુટુંબને શુભેચ્છા પાઠવવા પોતાને ઘેર ગયો. હવે દાવિદ રાજા પોતાના મહેલમાં રહેતો હતો. એક દિવસે તેણે નાથાન સંદેશવાહકને બોલાવી તેને કહ્યું, “હું અહીં ગંધતરુના મહેલમાં રહું છું, પણ પ્રભુની કરારપેટી તો તંબૂમાં રાખવામાં આવે છે!” નાથાને તેને કહ્યું, “તારા મનની ઇચ્છા પ્રમાણે કર, કારણ, ઈશ્વર તારી સાથે છે.” પણ એ જ રાત્રે નાથાનને ઈશ્વરનો સંદેશ મળ્યો, “તું જઈને મારા સેવક દાવિદને કહે, ‘તારે કંઈ મારે રહેવા માટે મંદિર બાંધવાનું નથી. મેં ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારથી આજ સુધી હું ક્યારેય કોઈ મંદિરમાં રહ્યો નથી; હું તો એક તંબૂમાંથી બીજા તંબૂમાં વિવિધ સ્થળે ફરતો રહ્યો છું. ઇઝરાયલી લોકો સાથેના મારા સઘળા પ્રવાસ દરમ્યાન લોકોના પાલન માટે નીમેલા આગેવાનોને મેં ક્યારેય કહ્યું નથી કે મારે માટે તમે ગંધતરુનું મંદિર કેમ બાંધ્યું નથી.’ “તેથી મારા સેવક દાવિદને જઈને કહે કે સેનાધિપતિ પ્રભુનો આ સંદેશ છે: ‘તું ખેતરોમાં ઘેટાં સાચવતો હતો ત્યાંથી મેં તને લાવીને મારા ઇઝરાયલી લોકો પર અધિકારી બનાવ્યો. તું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું, અને તારી આગળ તારા સર્વ શત્રુઓનો મેં સંહાર કર્યો છે. પૃથ્વીના મહાપુરુષોની જેમ હું તારું નામ વિખ્યાત બનાવીશ.’ “મેં મારા ઇઝરાયલી લોકો માટે સ્થળ પસંદ કર્યું છે અને ત્યાં તેમને ઠરીઠામ કર્યાં છે; તેઓ ત્યાં રહેશે અને હવે તેમને કોઈ રંજાડશે નહિ. તેઓ આ દેશમાં આવ્યા અને મેં ઇઝરાયલી લોકોના આગેવાનો તરીકે ન્યાયાધીશોને નીમ્યા તે સમયથી આજ સુધી દુષ્ટ માણસો તેમના પર હુમલા કરતા રહ્યા છે. પણ હવે એમ નહિ થાય. વળી, હું તને વચન આપું છું કે હું તારા સર્વ શત્રુઓને પરાજિત કરીશ અને તારા વંશની સ્થાપના કરીશ. *** તારું આયુષ્ય પૂરું થતાં તું તારા પૂર્વજો સાથે મળી જઈશ ત્યારે તારા પુત્રોમાંના એકને હું રાજા બનાવીશ અને તેના રાજ્યને દૃઢ કરીશ. તે મારે માટે મંદિર બાંધશે અને હું તેનો રાજવંશ સદાને માટે ચાલુ રાખીશ. “હું તેનો પિતા થઈશ, અને તે મારો પુત્ર થશે. તને રાજા બનાવવા માટે શાઉલ પાસેથી જેમ મેં મારી રહેમનજર ખેંચી લીધી તેમ તેની પાસેથી હું મારી રહેમનજર ખેંચી લઈશ નહિ. હું તેને મારા લોક પર અને મારા રાજ્ય પર સદાને માટે ઠરાવીશ. તેની રાજગાદીનો કદી અંત આવશે નહીં.” ઈશ્વરે દર્શનમાં નાથાન આગળ આ જે સંદેશ પ્રગટ કર્યો તે તેણે દાવિદને કહી સંભળાવ્યો. પછી દાવિદ પ્રભુની સંમુખ બેઠો અને બોલ્યો: “હે પ્રભુ પરમેશ્વર, હું કોણ અને મારું કુટુંબ કોણ કે તમે મને આટલા ઉચ્ચપદ સુધી લાવ્યા છો? “હે ઈશ્વર, તમારી દૃષ્ટિમાં એટલું બસ ન હોય તેમ તમે દૂરના ભવિષ્યના મારા વંશજો માટે વચન આપ્યું છે. વળી, તમે મને મહાપુરુષોની પંક્તિમાં ગણો છો! “હું તમને બીજું શું કહું? તમે મને સારી રીતે ઓળખો છો, અને છતાં તમારા આ સેવકને માન આપો છો. “હે પ્રભુ, તમારા મનની ઇચ્છા અને ઈરાદા પ્રમાણે તમે મારે માટે એ બધું કર્યું છે અને મને મારી ભાવિ મહાનતા દર્શાવી છે. “પ્રભુ, તમારા જેવો બીજો કોઈ હોય એવું સાંભળ્યું નથી; અલબત્ત, તમે જ એકમાત્ર ઈશ્વર છો. “તમારા લોક ઇઝરાયલ જેવી પૃથ્વી પર બીજી કોઈ પ્રજા નથી, કે જેમને તમે પોતાના લોક બનાવવા માટે ગુલામીમાંથી મુક્ત કર્યા હોય. ઇઝરાયલી લોકને તો ઇજિપ્તમાંથી મુક્ત કર્યા અને તેઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તમે બીજી પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી; એ માટે તમે કરેલાં મહાન અને આશ્ર્વર્યજનક કાર્યોથી સમસ્ત દુનિયામાં તમારી નામના ફેલાઈ ગઈ છે. “તમે ઈઝરાયલી લોકોને સદાને માટે તમારા લોક બનાવ્યા છે અને હે પ્રભુ, તમે તેમના ઈશ્વર બન્યા છો. “હવે હે પ્રભુ, મારા તથા મારા વંશજોના સંબંધમાં તમે આપેલાં વચનો હરહંમેશ પાળજો અને તમે જે કરવાનું કહ્યું છે તે પૂરું કરજો; “જેથી તમારા નામનો સદાકાળ મહિમા થાય અને લોકો કહે કે, ‘સેનાધિપતિ પ્રભુ ઇઝરાયલી લોકોના ઈશ્વર છે.’ એ રીતે મારા રાજવંશને કાયમને માટે સ્થાપિત કરજો. “હે મારા ઈશ્વર, તમને આ પ્રાર્થના કરવાની મેં હિંમત કરી છે. કારણ, તમે તમારા સેવક આગળ આ બધી વાતો પ્રગટ કરી છે અને મારા રાજવંશને સ્થાપિત કરશો એમ મને જણાવ્યું છે. “હે પ્રભુ, તમે ઈશ્વર છો, અને તમે તમારા સેવકને આ શુભવચન આપ્યું છે. “તો હવે મારા વંશજોને આશિષ આપો કે જેથી તેઓ તમારી કૃપા સતત પ્રાપ્ત કરતા રહે. પ્રભુ, તમે તેમને આશિષ આપી છે, તો એ આશિષ તેમના પર હરહંમેશ રહો.” કેટલાક સમય પછી દાવિદે પલિસ્તીઓ પર ચડાઈ કરીને તેમને હરાવ્યા. તેણે તેમના હાથમાંથી ગાથ નગર અને તેની આસપાસનાં ગામો લઈ લીધાં. તેણે મોઆબીઓને પણ હરાવ્યા. તેઓ તેના તાબેદાર થઈને તેને ખંડણી ભરવા લાગ્યા. તે પછી દાવિદે યુફ્રેટિસ નદીના ઉપરવાસના પ્રદેશ પર કબજો મેળવવા જતા સોબાના રાજા હદાદેઝરને હમાથ આગળ હરાવ્યો. દાવિદે તેની પાસેથી એક હજાર રથ, સાત હજાર ઘોડેસ્વારો અને પાયદળના વીસ હજાર સૈનિકો લઈ લીધા. તેણે સો રથો માટે જરૂરી ઘોડા રાખ્યા. જ્યારે બાકીના બીજા ઘોડાઓના પગની નસો કાપી નાખીને તેમને લંગડા કરી નાખ્યા. દમાસ્ક્સના અરામીઓએ હદાદેઝેર રાજાને મદદ કરવા સૈન્ય મોકલ્યું, તો દાવિદે તેમના પર હુમલો કરી બાવીસ હજાર માણસ મારી નાખ્યા. તે પછી તેણે અરામીઓના પ્રદેશમાં લશ્કરી થાણાં સ્થાપ્યાં. તેઓ તેને તાબે થઈ ખંડણી ભરવા લાગ્યા. દાવિદને પ્રભુએ સર્વ ઠેકાણે વિજયી બનાવ્યો. હદાદેઝેરના અધિકારીઓ સોનાની જે ઢાલો ધારણ કરતા હતા તે દાવિદ યરુશાલેમ લાવ્યો. તે હદાદેઝેર હસ્તકનાં ટિબહાથ અને કૂન નગરોમાંથી તાંબાનો મોટો જથ્થો પણ લાવ્યો. (શલોમોને પાછળથી એ તાંબાનો ઉપયોગ જળકુંડ, સ્તંભો તેમ જ મંદિરનાં વાસણો બનાવવા કર્યો.) દાવિદે હદાદેઝેરના સમસ્ત લશ્કરને હરાવ્યું છે એવું હમાથના રાજા તોઉએ સાંભળ્યું. તેથી તેણે પોતાના પુત્ર હદોરામને દાવિદને શુભેચ્છા પાઠવવા તેમ જ હદાદેઝેર પર મેળવેલા વિજય માટે દાવિદને અભિનંદન આપવા મોકલ્યો. તોઉ અને હદાદેઝેર વચ્ચે વિગ્રહ ચાલતો હતો. હદોરામ દાવિદ માટે સોનું, રૂપું અને તાંબાનાં વિવિધ પાત્રોની ભેટો લાવ્યો. દાવિદે એ સર્વ ભેટોનું તથા પોતે અદોમ, મોઆબ, આમ્મોન, પલિસ્તી અને અમાલેક એ સર્વ પ્રજાઓ જીતીને તેમની પાસેથી લાવેલ સોનારૂપાનું પ્રભુની આરાધના માટે સમર્પણ કર્યું. અબિશાય જેની માતાનું નામ સરુયા હતું, તેણે ‘મીઠાની ખીણ’માં અદોમીઓને હરાવ્યા અને તેમના અઢાર હજાર માણસો મારી નાખ્યા. તેણે આખા અદોમમાં લશ્કરી થાણાં ઊભાં કર્યાં; અને સર્વ અદોમીઓ દાવિદને તાબે થયા. પ્રભુએ દાવિદને સર્વ ઠેકાણે વિજયી બનાવ્યો. દાવિદ સમસ્ત ઇઝરાયલ પર રાજ કરતો હતો. પોતાના લોકો પ્રત્યે યથાર્થ અને ન્યાયી વર્તાવ થાય એ રીતે અમલ ચલાવતો. અબિશાયનો ભાઈ યોઆબ સેનાપતિ હતો; અહિલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો. અહિટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અહિમેલેખ યજ્ઞકારો હતા; શાવ્શા મંત્રી હતો. યહોયાદાનો પુત્ર બનાયા દાવિદના અંગરક્ષકોનો ઉપરી હતો; અને દાવિદ રાજાના પુત્રો તેની સેવામાં રહેનાર મુખ્ય પદાધિકારીઓ હતા. થોડા સમય પછી આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો, એટલે તેનો પુત્ર હાનુન રાજા બન્યો. દાવિદ રાજાએ કહ્યું, “નાહાશે મારી સાથે રાખી હતી તેવી વફાદાર મૈત્રી હું હાનુન સાથે પણ રાખીશ.” તેથી હાનુનના પિતાના મૃત્યુ વિશે તેને દિલાસો પાઠવવા દાવિદે સંદેશકો મોકલ્યા. જ્યારે તેઓ આમ્મોનમાં હાનુન રાજા પાસે ગયા, ત્યારે આમ્મોનના આગેવાનોએ રાજાને કહ્યું, “તમે એમ ધારો છો કે દાવિદે તમારા પિતાના સન્માર્થે તમને દિલાસો પાઠવવા આ માણસોને મોકલ્યા છે? ના, તેણે તો આપણા દેશને શી રીતે જીતી લેવો તેની બાતમી કાઢવા એમને જાસૂસો તરીકે મોકલ્યા છે.” તેથી હાનુને એ માણસોને પકડીને તેમની દાઢી મૂંડાવી નાખી અને કમરથી નીચેના ભાગનાં તેમનાં વસ્ત્રો કપાવી નાખીને તેમને કાઢી મૂક્યા. કોઈકે દાવિદને એ પુરુષોની હાલત વિષે ખબર આપી, કારણ, તેઓ પાછા ઘેર આવતા ખૂબ જ શરમાતા હતા. દાવિદને તેની જાણ થતાં તેણે તેમને ખબર મોકલાવી કે તેઓ તેમની દાઢી ફરી ઊગે ત્યાં સુધી યરીખોમાં જ રહે અને પછી પાછા આવે. હાનુન રાજા અને આમ્મોનીઓ સમજી ગયા કે તેમણે હવે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે. તેથી તેઓએ અરામ- નાહરાઈમ, અરામ-માખા તથા સોબા પાસેથી રથો અને સવારો ભાડે રાખવા ચોત્રીસ હજાર કિલો ચાંદી મોકલી આપી. તેમણે બત્રીસ હજાર રથો સહિત માખાના રાજાને અને તેના સૈન્યને ભાડે રાખ્યાં. માખાના રાજાના લશ્કરે મેદબા નજીક પડાવ નાખ્યો. આમ્મોનીઓ પણ પોતાના સર્વ નગરોમાંથી યુદ્ધ કરવાને નીકળી આવ્યા. દાવિદને એની જાણ થતાં તેણે યોઆબને પૂરા સૈન્ય સાથે મોકલ્યો. આમ્મોનીઓ તેમના પાટનગર રાબ્બાના પ્રવેશદ્વાર આગળ આવી ગોઠવાયા; જે રાજાઓ તેમની મદદે આવ્યા હતા તેમણે ખુલ્લા મેદાનમાં મોરચો માંડયો. યોઆબે જોયું કે શત્રુની ટુકડીઓ આગળ તથા પાછળથી હુમલો કરવા ગોઠવાઈ છે, ત્યારે તેણે ઇઝરાયલના સૈન્યમાંથી ચુનંદા સૈનિકો પસંદ કરી તેમને અરામીઓની સામે ગોઠવી દીધા. બાકીનું સૈન્ય તેણે પોતાના ભાઈ અબિશાયની સરદારી નીચે રાખ્યું. એમ તેમણે આમ્મોનીઓ સામે મોરચો ગોઠવ્યો. યોઆબે અબિશાયને કહ્યું, “અરામીઓ મને હરાવતા દેખાય તો તું મારી મદદે આવજે, અને જો આમ્મોનીઓ તને હરાવતા દેખાશે તો હું તારી મદદે આવીશ. હિંમત રાખજે! આપણે આપણા લોકો તથા આપણા ઈશ્વરનાં નગરો માટે ભારે જંગ ખેલીએ; પછી પ્રભુની ઇચ્છા હોય તેમ થાઓ.” યોઆબ અને તેના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવા આગળ વયા કે અરામીઓ નાસી છૂટયા. અરામીઓને ભાગી જતા જોઈને આમ્મોનીઓ પણ અબિશાય આગળથી પીછેહઠ કરી નગરમાં પેસી ગયા. પછી યોઆબ યરુશાલેમ પાછો આવ્યો. પોતે ઇઝરાયલીઓ આગળ હાર પામ્યા છે એ જોઈને અરામીઓ યુફ્રેટિસ નદીની પૂર્વ તરફનાં અરામના સાત રાજ્યોનાં સૈન્ય લાવ્યા અને તેમને સોબાના રાજા હદાદેઝેરના સેનાપતિ શોફાખની સરદારી હેઠળ મૂક્યાં. દાવિદને એની ખબર પડતાં તેણે ઇઝરાયલી સૈન્ય એકત્ર કર્યું અને યર્દન ઓળંગી અરામીઓ સામે મોરચો માંડયો. યુદ્ધ શરૂ થયું, અને ઇઝરાયલીઓએ અરામી સૈન્યને પાછું હઠાવ્યું. દાવિદ અને તેના માણસોએ સાત હજાર અરામી રથસવારોને અને ચાલીસ હજાર પાયદળના સૈનિકોને મારી નાખ્યા. તેમણે અરામી સેનાપતિ શોફાખને પણ મારી નાખ્યો. હદાદેઝેરના તાબેદાર રાજાઓએ જોયું કે પોતે ઇઝરાયલીઓને હાથે હાર ખાધી છે, ત્યારે દાવિદ સાથે સંધિ કરીને તેઓ તેને તાબેદાર થયા. તે પછી અરામીઓ આમ્મોનીઓને મદદ કરવા તૈયાર નહોતા. પછીની વસંતસંપાતે, એટલે કે રાજાઓ વર્ષના જે સમયે યુદ્ધ કરવા જાય છે ત્યારે યોઆબ સૈન્ય લઈને નીકળ્યો અને આમ્મોન દેશ પર ચડાઈ કરીને તેને ખેદાનમેદાન કરી નાખ્યો. દાવિદ રાજા પોતે તો યરુશાલેમમાં જ રહ્યો. યોઆબ અને તેના સૈન્યે રાબ્બા નગરને ઘેરો ઘાલ્યો અને તેના પર આક્રમણ કરી તેનો વિનાશ કર્યો. આમ્મોની દેવ માલ્કોમની મૂર્તિ પર ચોત્રીસ કિલો વજનનો સુવર્ણમુગટ હતો. તેમાં એક રત્ન પણ હતું. દાવિદે એ રત્ન લઈને પોતાના મુગટમાં જડાવ્યું. યોઆબે શહેરમાંથી મોટી લૂંટ પણ મેળવી. નગરજનોને બહાર લાવીને તેણે તેમની પાસે લોખંડની કરવતો, પંજેટીઓ અને કુહાડીઓ વડે કામ કરાવ્યું. આમ્મોનનાં બીજાં બધાં નગરોના લોકો પાસે પણ તેણે એવું જ કામ કરાવ્યું. પછી તે તથા તેના માણસો યરુશાલેમ પાછા આવ્યા. તે પછી, પલિસ્તીઓ સાથે ફરીથી ગેઝેર આગળ લડાઈ ફાટી નીકળી. એ જ સમયે હુશા કુળના સિબ્બાખાએ સિપ્પાય નામના રફાઈઓના કુળના મહાયોદ્ધાને મારી નાખ્યો અને પલિસ્તીઓએ હાર ખાધી. પલિસ્તીઓ સાથેની બીજી એક લડાઈમાં યાઈરના પુત્ર એલ્હાનાને ગાથમાંના ગોલ્યાથના ભાઈ લાહ્મીને મારી નાખ્યો, એના ભાલાનો હાથો હાથશાળના લાકડા જેવો હતો. ગાથમાં બીજી એક લડાઈ થઈ. ત્યાં એક મહાયોદ્ધો હતો. તેને દરેક હાથે અને પગે છ-છ મળીને કુલ ચોવીસ આંગળાં હતાં. તે પણ રાક્ષસી કદના રફાઈ લોકોનો વંશજ હતો. તેણે ઇઝરાયલીઓને પડકાર કર્યો, એટલે, દાવિદના ભાઈ શામ્માના પુત્ર યોનાથાને તેને મારી નાખ્યો. દાવિદ અને તેના માણસોએ આ જે ત્રણને મારી નાખ્યા તેઓ ગાથ નગરના રાક્ષસી કદના રફાઈ લોકોના વંશજ હતા. ઇઝરાયલીઓને રંજાડવાના હેતુસર શેતાને દાવિદને ઇઝરાયલીઓની વસ્તી ગણતરી કરવા ઉશ્કેર્યો. દાવિદે યોઆબ અને બીજા લશ્કરી અમલદારોને હુકમ આપ્યો, “જાઓ, બેરશેબાથી દાન લગી આખા ઇઝરાયલની વસ્તી ગણતરી કરો અને પછી મને તેમની જનસંખ્યા જણાવો.” યોઆબે કહ્યું, “અત્યારે ઇઝરાયલીઓની જેટલી સંખ્યા છે તે કરતાં પ્રભુ તેમને સોગણા વધારો! હે રાજા, મારા માલિક, એ સૌ તમારી જ પ્રજા છે. આપ આવું કરીને સમગ્ર ઇઝરાયલીઓ પર દોષ લાવવા માગો છો?” તોપણ યોઆબે રાજાનો હુકમ માનવો પડયો. યોઆબ ઉપડયો અને આખા ઇઝરાયલમાં ફરીને યરુશાલેમ પાછો આવ્યો. તેણે દાવિદ રાજાને લડવૈયા પુરુષોની ગણતરીની કુલ સંખ્યા જણાવી: ઇઝરાયલમાં તરવાર ચલાવી શકે એવા કુલ અગિયાર લાખ પુરુષો હતા; તો યહૂદિયામાં એવા ચાર લાખ સિત્તેર હજાર હતા. યોઆબને રાજાના હુકમ પ્રત્યે અણગમો હોવાથી તેણે લેવી અને બિન્યામીનના કુળને ગણતરીમાં લીધાં નહોતાં. એ કાર્યથી નારાજ થઈને ઈશ્વર ઇઝરાયલ પર શિક્ષા લાવ્યા. દાવિદે ઈશ્વરને કહ્યું, “આ કૃત્ય કરીને મેં ભયંકર પાપ કર્યું છે; પણ તમારા સેવક પર કૃપા કરી તેનો દોષ દૂર કરો; કારણ, મેં મોટી મૂર્ખાઈ કરી છે.” ત્યારે પ્રભુએ દાવિદના દષ્ટા ગાદને કહ્યું, દાવિદને જઈને કહે કે હું તને ત્રણ વિકલ્પ આપું છું. તેમાંથી તને યોગ્ય લાગે તે પસંદ કર, એટલે હું તે પ્રમાણે કરીશ.” તેથી ગાદે દાવિદ પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘તારે શું પસંદ કરવું છે? ત્રણ વર્ષ સુધી દુકાળ પડે, ત્રણ મહિના સુધી દુશ્મનો તરવાર લઈને તમારો પીછો કરી તમને રંજાડે કે ત્રણ દિવસ સુધી પ્રભુ તમારા પર તલવાર લઈ ત્રાટકે અને તમારા દેશમાં રોગચાળો મોકલે અને પ્રભુનો દૂત આખા ઇઝરાયલમાં વિનાશ ફેલાવે?’ પ્રભુને મારે શો જવાબ આપવો?” દાવિદે ગાદને કહ્યું, “હું અત્યંત વિકટ સ્થિતિમાં મૂકાઈ ગયો છું! પણ મારે માણસને હાથે શિક્ષા વહોરવી નથી. પ્રભુ પોતે જ શિક્ષા કરે; કારણ, તે દયાળુ છે.” તેથી પ્રભુએ ઇઝરાયલી લોકો પર રોગચાળો મોકલ્યો અને સિત્તેર હજાર માણસો મરણ પામ્યા. તેમણે યરુશાલેમનો નાશ કરવા દૂત મોકલ્યો. દૂત વિનાશ કરતો હતો ત્યારે એ જોઈને પ્રભુને અનુકંપા ઊપજી. લોકોનો વિનાશ કરતા દૂતને તેમણે કહ્યું, “બસ હવે, એ વિનાશ બંધ કર.” એ વખતે પ્રભુનો દૂત યબૂસી ઓર્નાનના ખળા પાસે ઊભો હતો. દાવિદે નજર ઊંચી કરીને જોયું તો પ્રભુનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઊભો હતો; તેના હાથમાં યરુશાલેમ પર ઉગામેલી ઉઘાડી તલવાર હતી. હવે દાવિદે અને લોકોના આગેવાનોએ અળસીરેસાનાં વસ્ત્ર પહેરેલાં હતાં. તેમણે પ્રભુના દૂતને ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા. દાવિદે પ્રાર્થના કરી, “હે ઈશ્વર, પાપ અને ભયાનક દુષ્ટતા તો મેં આચરી છે. વસ્તી ગણતરી તો મેં કરાવી છે. પણ આ લોકો તો ઘેટાં જેવા છે. બિચારા એમણે શું કર્યું છે? હે પ્રભુ, મારા ઈશ્વર, મને અને મારા કુટુંબને સજા કરો, પણ આ લોકોને રોગચાળામાંથી ઉગારો.” ત્યારે પ્રભુના દૂતે ગાદને આજ્ઞા આપી કે દાવિદને કહે કે ઓર્નાનના ખળામાં જઈને ઈશ્વર યાહવેને નામે યજ્ઞવેદી બાંધે. પ્રભુને નામે ગાદે જે કહ્યું તેને આધીન થઈને દાવિદ ઉપડયો. ઓર્નાન અને તેના ચાર પુત્રો ખળામાં ઘઉં ઝૂડતા હતા. તેમણે દૂતને જોયો એટલે દોડીને સંતાઈ ગયા. દાવિદ રાજાને આવતો જોઈને ઓર્નાન તરત જ ખળામાંથી બહાર આવ્યો અને ભૂમિ પર શિર ટેકવીને રાજાને પ્રણામ કર્યા. દાવિદે તેને કહ્યું, “તારું આ ખળું મને વેચાતું આપ; જેથી લોકોમાં રોગચાળો અટકાવવા હું પ્રભુને માટે વેદી બાધું. હું તને તેની પૂરેપૂરી કિંમત આપીશ.” ઓર્નાને કહ્યું, “હે રાજા, મારા માલિક, આપ તે લઈ લો અને તમને ગમે તે કરો. વેદી પર દહનબલિ કરવા માટે આ બળદો છે, અને આ ઝૂડવાંનાં પાટિયાં બળતણ તરીકે વાપરો અને ધાન્યઅર્પણ માટે આ ઘઉં છે. હું તમને એ બધું આપું છું.” પણ દાવિદ રાજાએ કહ્યું, “ના, ના, હું તો પૂરેપૂરી કિંમત આપીશ. જે તારી માલિકીનું છે અને જેની મેં કંઈ જ કિંમત ચૂકવી નથી એનું હું પ્રભુને અર્પણ ચઢાવીશ નહિ.” તેણે ઓર્નાનને ખળા માટે સોનાના છસો સિક્કા આપ્યા. ત્યાં તેણે પ્રભુને નામે વેદી બાંધી અને દહનબલિ તથા સંગતબલિ ચઢાવ્યા. તેણે પ્રાર્થના કરી એટલે પ્રભુએ વેદી પરનાં અર્પણો પર અગ્નિ મોકલીને તેને ઉત્તર આપ્યો. પ્રભુએ દૂતને આજ્ઞા કરી એટલે તેણે પોતાની તલવાર મ્યાન કરી. એ જોઈને દાવિદને થયું કે પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી છે. તેથી તેણે આર્નોનના ખળામાંની વેદી પર અર્પણો ચઢાવ્યાં. એ સમયે મોશેએ વેરાન- પ્રદેશમાં બનાવેલો મુલાકાતમંડપ અને યજ્ઞવેદી ગિબ્યોનમાં ભજનના ઉચ્ચસ્થાનમાં હતાં; પણ દાવિદ ઈશ્વરનું ભજન કરવા ત્યાં જઈ શકયો નહિ, કારણ, તે પ્રભુના દૂતની તલવારથી ડરતો હતો. તેથી દાવિદે કહ્યું, “અહીં જ પ્રભુ ઈશ્વરનું મંદિર થશે. આ વેદી પર ઇઝરાયલીઓ દહનબલિ ચઢાવશે.” દાવિદ રાજાએ ઇઝરાયલ દેશમાં વસતા સર્વ પરદેશીઓને એકત્ર કરવા આજ્ઞા આપી, અને તેણે તેમને કામે લગાડયા. કેટલાકને તેણે મંદિર માટે પથ્થરો ઘડવા સલાટો તરીકે નીમ્યા. દરવાજાના લાકડાંનાં કમાડોને ખીલા અને ચાપડા લગાવવા તેણે પુષ્કળ લોખંડ અને અણતોલ તાંબુ પૂરું પાડયું. વળી, તૂર તથા સિદોનના લોકો તેને ગંધતરુનાં પુષ્કળ પાટિયાં પહોંચાડે તેવી વ્યવસ્થા કરી. દાવિદે કહ્યું, “મારો પુત્ર શલોમોન જે મંદિર બાંધશે તે ભવ્ય, સુંદર અને વિશ્વવિખ્યાત થવું જોઈએ. પણ તે જુવાન અને બિનઅનુભવી છે; તેથી મારે અગાઉથી તેની પૂરી તૈયારી કરવી જોઈએ.” એમ દાવિદે પોતાના મરણ અગાઉ પુષ્કળ સાધનસામગ્રી એકત્ર કરી. તેણે પોતાના પુત્ર શલોમોનને બોલાવ્યો અને તેને ઇઝરાયલના ઈશ્વર પ્રભુ માટે મંદિર બાંધવાનું કામ સોંપ્યું. દાવિદે શલોમોનને કહ્યું, “બેટા, ઈશ્વર મારા પ્રભુના નામના સન્માર્થે મંદિર બાંધવાની મારી ઇચ્છા હતી. પણ મને પ્રભુનો સંદેશ મળ્યો, ‘તેં ભારે ખૂનરેજી ચલાવી છે અને તું મોટી લડાઈઓ લડયો છું. પૃથ્વી પર તેં મારી સમક્ષ પુષ્કળ રક્ત વહેવડાવ્યું છે. તેથી તારે મારું મંદિર બાંધવાનું નથી. પણ તને એક પુત્ર થશે; તે શાંતિપ્રિય થશે; હું તેને આસપાસના સર્વ શત્રુઓથી શાંતિ આપીશ. તેનું નામ શલોમોન (શાંતિ) થશે, કારણ, તેના અમલ દરમ્યાન હું ઇઝરાયલને શાંતિ અને સલામતી આપીશ. તે મારે માટે મંદિર બાંધશે. તે મારો પુત્ર થશે, અને હું તેનો પિતા થઈશ. તેના વંશજો ઇઝરાયલ પર કાયમ રાજ કરશે.” દાવિદે કહ્યું, “મારા દીકરા, પ્રભુ તારી સાથે હો, અને તેમણે તારે વિષે આપેલા વચન પ્રમાણે તેમનું મંદિર બાંધવામાં તું સફળ થા. તું પ્રભુના નિયમ પ્રમાણે ઇઝરાયલ પર રાજ્ય ચલાવે તે માટે તે તને વિવેકબુદ્ધિ અને ડહાપણ આપો. પ્રભુએ મોશે મારફતે ઇઝરાયલીઓને આપેલાં સર્વ ફરમાનો અને નિયમો તું પાળે તો જ તું સફળ થઈશ. દૃઢ તથા હિંમતવાન થા, કોઈ વાતે ડરીશ નહિ કે હિંમત હારીશ નહિ. મંદિર માટે મેં ભારે મહેનત કરીને ચોત્રીસો ટન સોનું અને ચોત્રીસ હજાર ટન ચાંદી એકત્ર કર્યાં છે. વળી, તાંબુ અને લોખંડનો અઢળક જથ્થો છે. મેં લાકડાં અને પથ્થર પણ ભેગાં કર્યાં છે; પણ તારે તેનો વધારે જથ્થો મેળવવો પડશે. તારી પાસે ઘણા કારીગરો છે. વળી, સલાટો, કડિયા, સુથાર અને સોનું, ચાંદી, તાંબુ અને લોખંડનું કામ કરનાર અસંખ્ય નિપુણ કારીગરો પણ છે. તો હવે કામ શરૂ કર, અને પ્રભુ તારી સાથે હો.” દાવિદે ઇઝરાયલીઓના સર્વ આગેવાનોને પણ શલોમોનને મદદ કરવા આજ્ઞા કરી. તેણે કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે છે અને તમને ચારે તરફથી શાંતિ બક્ષી છે. આ દેશના મૂળ વતનીઓ પર તેમણે મને વિજય પમાડયો છે અને હવે તે તમારા અને પ્રભુના તાબેદાર છે. તો હવે તમારા પૂરા હૃદય અને જીવથી પ્રભુના નામના સન્માનાર્થે જે મંદિર બાંધવાનું છે તેનું કામ ઉપાડો કે જેથી તમે તેમાં પ્રભુની કરારપેટી તથા તેમનું ભજન કરવા વપરાતી તમામ પવિત્ર સાધનસામગ્રી લાવીને રાખી શકો.” દાવિદ હવે વૃદ્ધ અને ઘણી ઉંમરનો થયો હતો. તેથી તેણે પોતાના પુત્ર શલોમોનને ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. દાવિદ રાજાએ સર્વ ઇઝરાયલી આગેવાનો, યજ્ઞકારો અને લેવીઓને એકઠા કર્યા. તેણે ત્રીસ કે તેથી વધુ ઉંમરના સર્વ નર લેવીઓની ગણતરી કરી. એમની કુલ સંખ્યા એકત્રીસ હજારની થઈ. રાજાએ તેમને આ પ્રમાણે કામ સોંપ્યું. તેણે ચોવીસ હજારને પ્રભુના મંદિરનો કારભાર સંભાળવા, છ હજારને નોંધણીકારો અને વિવાદોનો ન્યાય આપવા, ચાર હજારને સંરક્ષણની ફરજ બજાવવા, અને ચાર હજારને રાજાએ પૂરાં પાડેલાં સંગીતના વાજિંત્રો વડે પ્રભુની સ્તુતિ કરવા નીમ્યા. દાવિદે લેવીઓના તેમના કુટુંબ પ્રમાણે ત્રણ વર્ગ પાડયા: ગેર્શોન, કહાથ અને મરારી. ગેર્શોનને બે પુત્રો હતા: લાદાન અને શિમઈ. લાદાનને ત્રણ પુત્રો હતા: યહિયેલ, ઝેથાન અને યોએલ. તેઓ લાદાનના ગોત્રના વડા હતા. શિમઈના ત્રણ પુત્રો શલોમોથ, હઝીએલ અને હારાન. શલોમોથને ચાર પુત્રો હતા: યાહાથ, ઝીઝા, યેઉશ અને બરિયા. તેમાં યાહાથ જયેષ્ઠ અને ઝીઝા બીજો હતો. યેઉશ અને બરિયાને બહુ વંશજ ન હોઈ, એક જ ગોત્ર ગણાયા. કહાથને ચાર પુત્રો હતા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ. આમ્રામના પુત્રો: આરોન અને મોશે. આરોન તથા તેના વંશજોને પવિત્ર સાધનસામગ્રી હંમેશા પોતાને હસ્તક રાખી પ્રભુને ધૂપ ચઢાવવા, તેમની સેવા કરવા તથા તેમને નામે લોકોને આશીર્વાદ આપવા અલગ કરવામાં આવ્યા હતા. પરંતુ ઈશ્વરભક્ત મોશેના વંશજોનો તો લેવીઓમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. મોશેના પુત્રો હતા: ગેર્શોમ અને એલિએઝેર. ગેર્શોમના પુત્રોમાં શબૂએલ આગેવાન હતો. એલિએઝેરને માત્ર એક પુત્ર રહાબ્યા હતો, પણ રહાબ્યાને ઘણા પુત્રો હતા. કહાથનો બીજો પુત્ર યિસ્હારનો પુત્ર શલોમીથ તેમના ગોત્રનો વડો હતો. કહાથના ત્રીજા પુત્ર હેબ્રોનને ચાર પુત્રો હતા: જયેષ્ઠપુત્ર યરિયા, પછી અમાર્યા, યાહઝિયેલ, અને યકામામ. કહાથના ચોથા પુત્ર ઉઝિયેલને બે પુત્રો હતા: મિખા અને યિશ્શીયા. મરારીને બે પુત્રો હતા: માહલી અને મુશી. મુશીને પણ બે પુત્રો હતા: એલાઝાર અને કીશ. પણ એલાઝાર પુત્રવિહોણો મરણ પામ્યો. તેને ફક્ત પુત્રીઓ હતી. તેની પુત્રીઓએ પોતાના પિત્રાઈ ભાઈઓ એટલે કીશના પુત્રો સાથે લગ્ન કર્યાં. મરારીના બીજા પુત્ર મુશીને ત્રણ પુત્રો હતા: માહલી, એદેર અને યરેમોથ. તેઓ લેવીના ગોત્ર અને કુટુંબવાર વંશજો હતા; પ્રત્યેકનું નામ ગણતરીમાં નોંધાયેલું હતું. વીસ વર્ષ કે તેથી વધુ વયના તેમના પ્રત્યેક વંશજ પ્રભુના મંદિરના કામમાં ભાગ લેતા. દાવિદે કહ્યું, ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ પોતાના લોકોને શાંતિ આપી છે અને તે પોતે કાયમ માટે યરુશાલેમમાં વસનાર છે. તેથી મુલાકાતમંડપ અને ભક્તિની સર્વ સાધનસામગ્રી હવે લેવીઓએ ઊંચકવાની જરૂર પડશે નહિ. દાવિદની આખરી સૂચનાઓ મુજબ વીસ વર્ષ કે તેથી વધારે વયના બધા લેવીઓની નોંધ કરવામાં આવતી, અને તેમને નીચેની ફરજો સોંપાઈ હતી: આરોનના વંશના યજ્ઞકારોને મંદિરની સેવાના કામમાં મદદ કરવી, તેના આંગણાં અને ખંડોની દેખભાળ કરવી અને પવિત્ર વસ્તુઓ અશુદ્ધ ન થાય તે જોવું; ઈશ્વરને સમર્પિત રોટલી, ધાન્ય- અર્પણમાં વપરાતો લોટ, ખમીરરહિત પોળીઓ, શેકેલાં અર્પણો અને ઓલિવ તેલથી મોહેલા લોટ અંગેની તથા મંદિરમાં અર્પવામાં આવતી બધી ચીજવસ્તુઓના તોલમાપની જવાબદારી તેમણે ઉપાડવાની હતી, અને રોજ સવારે અને સાંજે તેમ જ સાબ્બાથ, ચાંદ્રમાસના પ્રથમ દિવસોએ અને બીજા ઉત્સવો વખતે પ્રભુને અર્પણો ચઢાવવામાં આવે ત્યારે પ્રભુની સ્તુતિ કરવી અને તેમનો મહિમા કરવો. પ્રત્યેક વખતે આ કામ કરવા લેવીઓની સંખ્યા નક્કી કરવાના નિયમો ઘડવામાં આવ્યા હતા. લેવીઓને પ્રભુની સેવાભક્તિ નિરંતર કરવાનું કામ સોંપેલું હતું. *** તેમને મુલાકાતમંડપ તથા મંદિર અને મંદિરની સેવાના કામમાં આરોનના વંશમાંથી ઊતરી આવેલ તેમના યજ્ઞકાર ભાઈઓને મદદ કરવાની જવાબદારી સોંપી હતી. આરોનના વંશજોનાં પણ આ પ્રમાણે જૂથ પાડવામાં આવ્યાં. આરોનને ચાર પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામાર. નાદાબ અને અબીહૂ તેમના પિતાની અગાઉ મૃત્યુ પામ્યા હતા, અને તેમના કોઈ વંશજ નહોતા. તેથી તેમના ભાઈઓ એલાઝાર અને ઇથામાર યજ્ઞકાર બન્યા. દાવિદ રાજાએ આરોનના વંશજોને તેમની સેવાની ફરજ પ્રમાણેનાં જૂથમાં વહેંચી નાખ્યા. એલાઝારના વંશજ સાદોક અને ઇથામારના વંશજ અહિમેલેખે તેને એ કામમાં મદદ કરી. એલાઝારના વંશજોના સોળ જૂથ, જ્યારે ઇથામારના જૂથમાં આઠ જૂથ પાડવામાં આવ્યાં; એનું કારણ એ હતું કે એલાઝારના વંશજોમાં કુટુંબના વડાપુરુષોની સંખ્યા વધારે હતી. એલાઝાર અને ઇથામાર બન્‍નેના વંશજોમાં મંદિરના અધિકારીઓ અને આત્મિક આગેવાનો હોવાથી ચિઠ્ઠી નાખીને તેમની વહેંચણી કરવામાં આવી. પછી લેવીઓના નોંધણીકાર નથનાએલના પુત્ર શમાયાએ તેમનાં નામની નોંધણી કરી. રાજા, તેના અમલદારો, સાદોક યજ્ઞકાર, અબ્યાથારનો પુત્ર અહિમેલેખ અને યજ્ઞકારના તેમજ લેવીના કુટુંબના વડાપુરુષો એ સૌ તેના સાક્ષી હતા. ઉપાડેલી ચિઠ્ઠીઓ પ્રમાણે ક્રમાનુસાર ચોવીસ કુટુંબ જૂથોને સેવાકાર્ય સોંપવામાં આવ્યું, જેમાં એલાઝાર અને ઇથામારનાં કુટુંબો વારાફરતી આવતાં. પ્રથમ ચિઠ્ઠી યહોયારિબ નીકળી, બીજી યદાયાની, ત્રીજી હારીમની, ચોથી સોરીમની, પાંચમી મલકિયાની, છઠ્ઠી મિયામીનની, સાતમી હાક્કોસની, આઠમી અબિયાની, નવમી યેશૂઆની, દસમી શખાન્યાહની, અગિયારમી એલ્યાશીબની, બારમી યાકીમની, તેરમી હુપ્પાહની, ચોદમી યેશેબ્યાબની, પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની, સત્તરમી હેઝીરની, અઢારમી હાપિસેસની, ઓગણીસમી પથાહિયાની, વીસમી યહઝિકેલની, એકવીસમી યાખીનની, બાવીસમી ગમૂલની, ત્રેવીસમી દલાયાહની અને ચોવીસમી માઝિયાની. *** *** *** *** *** *** *** *** *** *** *** ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ ફરમાવ્યા મુજબ આ માણસોના પૂર્વજ આરોને નિયત કરેલી ફરજો બજાવવા મંદિરમાં જવા એમની કામવાર નોંધ કરવામાં આવી હતી. લેવીના અન્ય કુટુંબોના વડા આ પ્રમાણે છે: આમ્રામના વંશના શબૂએલનો વંશજ યેહદિયા; યહાબ્યાહનો વંશજ યિશ્શીયા; યિસ્હારના વંશમાં શલોમીથનો વંશજ યાહાથ; હેબ્રોનના પુત્રો તેમની ઉંમરના ક્રમ પ્રમાણે: યરિયા, અમાર્યા, યહઝિયેલ અને યકામામ ઉઝિયેલના વંશમાં મિખાનો વંશજ શામીર, ઉઝિયેલના વંશમાં મિખાના ભાઈ યિશ્શીયાનો વંશજ ઝખાર્યા. મરારીના વંશજો માહલી, મુશી અને યાઝિયા. યાઝિયાને ત્રણ પુત્રો હતા: શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી. માહલીને બે પુત્રો હતા: એલાઝાર અને કીશ. એલાઝારને પુત્રો ન હતા, પણ કીશને યરાહમેલ નામે એક પુત્ર હતો. *** મુશીને ત્રણ પુત્રો હતા: માહલી, એદેર અને યરેમોથ. તેમના ભાઈઓ આરોનના વંશજોની જેમ તેમણે પણ ચિઠ્ઠીઓ નાખી. દાવિદ રાજા, સાદોક, અહિમેલેખ તથા યજ્ઞકાર અને લેવીના કુટુંબોના વડાઓ તેના સાક્ષી હતા. એમાં નાનાં કે મોટાં કુટુંબોનો ભેદ રાખવામાં આવ્યો ન હતો. દાવિદ તથા તેના સેનાધિકારીઓએ સેવાના કામને માટે આસાફ, હેમાન અને યદૂથુનનાં ગોત્રોને નીમ્યાં. તેમણે વીણા, સિતાર તથા ઝાંઝ વગાડતાં વગાડતાં સ્તોત્ર ગાવાનાં હતાં. સોંપેલી સેવાના પ્રકાર પ્રમાણે તેમની યાદી આ પ્રમાણે છે. આસાફના ચાર પુત્રો: ઝાક્કૂર, યોસેફ, નથાન્યા અને યશારએલા. તેઓ આસાફની દોરવણી હેઠળ હતા. રાજા આદેશ આપે ત્યારે આસાફ ઈશ્વરનો સંદેશ જાહેર કરતો. યદૂથુનના છ પુત્રો: ગદાલ્યા, સરી, યશાયા, હશાબ્યા, શિમઈ અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતાની દોરવણી હેઠળ વીણા વગાડતાં વગાડતાં ઈશ્વરનો સંદેશ પ્રગટ કરતા અને પ્રભુની આભારસ્તુતિનાં ગીત ગાતા. હેમાનના ચૌદ પુત્રો: બુક્કીયા, માત્તાન્યા, ઉઝિયેલ, શબુએલ, યરીમોથ, હનાન્યા, હનાની, એલિયાથા, ગિદ્દાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશા માલ્લોથી, હોથીર, માહઝીઓથ. પોતે આપેલા વચન પ્રમાણે ઈશ્વરે રાજાના દષ્ટા હેમાનનું ગૌરવ વધારવા તેને એ ચૌદ પુત્રો અને ત્રણ પુત્રીઓ આપ્યાં હતાં. તેઓ સૌ પોતાના પિતાની દોરવણી હેઠળ ઈશ્વરના મંદિરમાં ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી પ્રભુનું સ્તવન કરતા. આસાફ, યદૂથુન અને હેમાન રાજાની દોરવણી હેઠળ હતા. આ ચોવીસે માણસો નિષ્ણાત હતા; અને તેમના લેવી સાથીદારો પ્રભુનાં સ્તોત્ર ગાવામાં તાલીમબદ્ધ ગાયકો હતા. તેઓ બધા મળીને બસોને અઠ્ઠયાસી હતા. તેઓ સૌએ ચિઠ્ઠીઓ નાખીને પોતાનું કામ વહેંચી લીધું - પછી તે યુવાન હોય કે વૃદ્ધ, નિષ્ણાત હોય કે શિખાઉ. પહેલી ચિઠ્ઠી આસાફવંશી યોસેફની નીકળી. તેના જૂથમાં તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. બીજી ગદાલ્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. ત્રીજી ઝાક્કૂરની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. ચોથી યિસ્રીની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. પાંચમી નથાન્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. છઠ્ઠી બુક્કીયાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. સાતમી યશારએલાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. આઠમી યશાયાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. નવમી માત્તાન્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. દશમી શિમઈની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. અગિયારમી ઉઝિએલની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. બારમી હશાબ્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. તેરમી શબુએલની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. ચૌદમી માત્તિથ્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. પંદરમી યરીમોથની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. સોળમી હનાન્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. સત્તરમી યોશ્બકાશાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. અઢારમી હનાનીની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. ઓગણીસમી માલ્લોથીની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. વીસમી એલિયાથાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. એકવીસમી હોથીરની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. બાવીસમી ગિદ્દાલ્તીની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. ત્રેવીસમી માહઝીઓથની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. ચોવીસમી રોમામ્તી-એઝેરની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. મંદિરના દ્વારપાળો તરીકે લેવીઓની આ પ્રમાણે ટુકડીઓ પાડવામાં આવી હતી: કોરાહના ગોત્રમાં આસાફના કુટુંબના કોરેનો પુત્ર મેશેલેમ્યા હતો. તેને સાત પુત્રો હતા; વયાનુક્રમે તેમની યાદી આ પ્રમાણે છે: ઝખાર્યા, યદિયેલ, ઝબાદ્યા, યાથ્નીએલ, એલામ, યહોહાનાન, એલ્યહોનાય. ઓબેદ-અદોમને ઈશ્વરના આશીર્વાદથી આઠ પુત્રો હતા; વયાનુક્રમે તેમની યાદી આ પ્રમાણે છે: શમાયા, યહોઝાબાદ, યોઆહ, શાખાર, નથાનએલ, આમ્મીએલ, ઈસ્સાખાર, પુલ્લથાય. ઓબેદ-અદોમના જયેષ્ઠ પુત્ર શમાયાને છ પુત્રો હતા: ઓથ્ની, રફાએલ, ઓબેદ, એલઝાબાદ, એલીહૂ અને સમાખ્યા. તેઓ બાહોશ હોઈ પોતાના પિતાના ગોત્રમાં અગ્રગણ્ય પુરુષો હતા; છેલ્લા બે પુત્રો તો વિશેષ શૂરવીર હતા. *** ઓબેદ-અદોમના કુટુંબમાં પુત્રો અને ભાઈઓ મળી કુલ બાસઠ વંશજો હતા, તેઓ સૌ કાર્યદક્ષ હોઈ મંદિરના સેવાકાર્ય માટે લાયક હતા. મેશેલેમ્યાના કુટુંબમાં પુત્રો અને ભાઈઓ મળી એકંદરે અઢાર સશક્ત શૂરવીરો હતા. મરારીના ગોત્રમાં હોસાને ચાર પુત્રો હતા: શિમઈ (તે જયેષ્ઠ પુત્ર ન હતો, પણ તેના પિતાએ તેને આગેવાન ઠરાવ્યો). હિલકિયા, ટબાલ્યા, ઝખાર્યા. હોસાના કુટુંબમાં પુત્રો અને ભાઈઓ મળી કુલ તેર હતા. કુટુંબના વડા પ્રમાણે, આ દ્વારપાળોનાં જૂથ પાડવામાં આવ્યાં હતાં; જેથી તેઓ તેમના લેવી ભાઈઓની જેમ પ્રભુના મંદિરમાં વારા પ્રમાણે સેવા કરી શકે. કુટુંબ નાનું કે મોટું છે તે લક્ષમાં લીધા સિવાય કોણ કયા દરવાજાની ચોકી કરશે તે નક્કી કરવા ચિઠ્ઠીઓ નાખી. શલેમ્યાહે ચિઠ્ઠી ઉપાડી તો તેને માટે પૂર્વ દરવાજો આવ્યો, અને તેના પુત્ર ઝખાર્યાને માટે ઉત્તરના દરવાજાની ચિઠ્ઠી નીકળી. ઝખાર્યા તો શાણો સલાહકાર હતો. ઓબેદ- અદોમને ફાળે દક્ષિણનો દરવાજો આવ્યો, અને તેના પુત્રોને ભંડારના સંરક્ષણની જવાબદારી સોંપાઈ. શૂપ્પીમ અને હોસાહને પશ્ર્વિમનો દરવાજો અને ઉપરની સડક પરનો શાલ્લેખેથનો દરવાજો સોંપાયો. ફરજ પરના દ્વારપાળોના નિયત સમય માટે એક પછી એક વારા રાખ્યા હતા. દરરોજ પૂર્વમાં છ, ઉત્તરમાં ચાર અને દક્ષિણમાં ચાર દ્વારપાળો રહેતા. દરેક ભંડારે બબ્બે એમ ચાર દ્વારપાળો દરરોજ ભંડારો આગળ રહેતા. પશ્ર્વિમના આંગણા પાસેના રસ્તા પર ચાર અને એ આગણાંમાં બે દ્વારપાળો રહેતા. કોરા અને મરારીના ગોત્રોના ફરજ પરના દ્વારપાળોને એ રીતે વારા પ્રમાણે કામ સોંપાયેલું હતું. લેવીઓમાંથી અહિયા ઈશ્વરના મંદિરના ભંડાર અને ઈશ્વરને અર્પિત ભેટોના ભંડારો પર હતો. લાદાન ગેર્શોની ઘણાં કુટુંબોનો પૂર્વજ હતો; તેનો પુત્ર યહિયેલ તેમાં મુખ્ય હતો. લાદાનના બીજા બે પુત્રો ઝેથામ અને યોએલ પ્રભુના મંદિરના ભંડારો પર હતા. આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલના વંશજોને પણ કામ ફાળવી આપ્યું હતું. મોશેના પુત્ર ગેર્શોનના ગોત્રનો શબૂએલ મંદિરના ભંડારનો મુખ્ય જવાબદાર અધિકારી હતો. ગેર્શોનના ભાઈ એલિએઝેરના પક્ષે તે શલોમીથનો સંબંધી હતો. એલિએઝેર રહાબ્યાનો પિતા હતો, રહાબ્યા યેશિયાનો પિતા હતો. યેશિયા યોરામનો પિતા હતો, યોરામ ઝિખ્રીનો પિતા હતો અને ઝિખ્રી શલોમીથનો પિતા હતો. દાવિદ રાજા, કુટુંબના વડાઓ, ગોત્રના આગેવાનો અને લશ્કરી સહાધિપતિઓ અને શતાધિપતિઓ દ્વારા ઈશ્વરને અર્પાયેલી સર્વ ભેટો શલોમીથ અને તેના કુટુંબના સભ્યોની સાચવણીમાં હતી. લડાઈમાં મળેલી લૂંટનો કેટલોક ભાગ તેઓએ પ્રભુના મંદિરના ઉપયોગને માટે અર્પ્યો હતો. સંદેશવાહક શમુએલ, રાજા શાઉલ, નેરના પુત્ર આબ્નેર અને સરુયાના પુત્ર યોઆબની ભેટો સહિત પ્રભુના મંદિરમાં વપરાશ માટે અર્પેલી સર્વ ભેટો શલોમીથ અને તેના કુટુંબના હવાલામાં હતી. યિસ્હારના વંશજો કનાન્યા અને તેના પુત્રોને નોંધ રાખવાની અને ઇઝરાયલ લોકોના વિવાદોના નિરાકરણની વહીવટી કામગીરી સોંપવામાં આવી હતી. હેબ્રોનના વંશજો પૈકી યશાબ્યાહ અને તેના સત્તરસો સંબંધીઓ કાર્યદક્ષ હતા; તેમને યર્દન નદીની પશ્ર્વિમ બાજુએ ઇઝરાયલીઓની ધાર્મિક અને રાજકીય સેવાને લગતી બધી બાબતોનો વહીવટ સોંપવામાં આવ્યો હતો. યેરિયા હેબ્રોનનો વંશજ હતો. દાવિદના અમલના ચાલીસમે વર્ષે હેબ્રોનના વંશજોને તેમની વંશાવળી પ્રમાણે શોધી કાઢવામાં આવ્યા, ને આ કુટુંબમાંના શૂરવીર યોદ્ધાઓ ગિલ્યાદ પ્રાંતના યાઝેરમાંથી મળી આવ્યા. દાવિદ રાજાએ યેરિયાના સગાંસંબંધીઓમાંથી બે હજાર સાતસો કાર્યદક્ષ કુટુંબ-વડાઓ પસંદ કર્યા, અને યર્દન નદીની પૂર્વગમ રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના પ્રાંતોમાં ઇઝરાયલીઓની ધાર્મિક અને રાજકીય સેવાને લગતી બાબતોનો વહીવટ તેમને સોંપ્યો. ઇઝરાયલીઓનાં કુટુંબોના વડા, ગોત્રના આગેવાનો અને સહાધિપતિઓ અને શતાધિપતિઓ તથા અન્ય અધિકારીઓની આ યાદી છે; તેઓ રાજયવહીવટની કામગીરી સંભાળતા. વર્ષના પ્રત્યેક મહિને તે માસના મુખ્ય અધિકારી હેઠળની ટુકડી વારા પ્રમાણે ફરજ પર રહેતી. પ્રત્યેક ટુકડી ચોવીસ હજારની હતી. પ્રત્યેક માસના મુખ્ય અધિકારી આ પ્રમાણે હતા: પ્રથમ માસ: ઝાબ્દીએલનો પુત્ર યાશોબ્યામ (તે યહૂદાના કુળના પેરેસના ગોત્રનો હતો). બીજો માસ: અહોહીનો વંશજ દોદાઈ (મિકલોથ તેના પછીનો અધિકારી હતો). ત્રીજો માસ: યહોયાદા યજ્ઞકારનો પુત્ર બનાયા; તે “ત્રીસ શૂરવીરો” આગેવાન હતો. (તેના પછી તેનો પુત્ર આમ્મીનાદાબ આ ટુકડીનો મુખ્ય અધિકારી થયો.) ચોથો માસ: યોઆબનો ભાઈ અસાહેલ (તેના પછી તેનો પુત્ર ઝબાદ્યા આવ્યો) પાંચમો માસ: યિસ્હારનો વંશજ શામ્હૂથ. છઠ્ઠો માસ: તકોઆ ગામના ઈક્કેશનો પુત્ર ઈરા. સાતમો માસ: પલોન ગામનો એફ્રાઈમના કુળનો હેલેશ. આઠમો માસ: હુશામાંનો સિબ્બખાય (તે યહૂદાના કુળના ઝેરાના ગોત્રનો હતો). નવમો માસ: બિન્યામીનના કુળ પ્રદેશમાં આવેલ અનાથોથ નગરનો અબિએઝેર. દસમો માસ: નટોફાનો મહારાય (તે ઝેરાના ગોત્રનો હતો). અગિયારમો માસ: એફ્રાઈમના મુલકમાંના પીરાથોનનો બનાયા. બારમો માસ: નટોફાનો હેલ્દાય (તે ઓથ્નીએલનો વંશજ હતો). *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ઇઝરાયલી કુળો પરના વહીવટદારોની યાદી આ પ્રમાણે છે: રૂબેનના કુળનો વહીવટદાર ઝિખ્રીનો પુત્ર એલિએઝેર હતો. શિમયોનના કુળનો વહીવટદાર માખાનો પુત્ર શફાટયા હતો. લેવીના કુળનો વહીવટદાર કમૂએલનો પુત્ર હશાબ્યાહ હતો. આરોનના કુળનો સાદોક હતો. યહૂદાના કુળનો વહીવટદાર દાવિદ રાજાનો ભાઈ એલીહૂ હતો. ઇસ્સાખારના કુળનો વહીવટદાર મિખાયેલનો પુત્ર ઓમ્રી હતો. ઝબુલૂનના કુળનો વહીવટદાર ઓબાદ્યાનો પુત્ર ઈશ્માયા હતો. નાફતાલીના કુળનો વહીવટદાર આઝિયેલનો પુત્ર યરીમોથ હતો. એફ્રાઈમના કુળનો વહીવટદાર અઝાઝિયાનો પુત્ર હોશિયા હતો. પશ્ર્વિમ મનાશ્શાના કુળનો વહીવટદાર પદાયાનો પુત્ર યોએલ હતો. ગિલ્યાદમાં પૂર્વ મનાશ્શાના કુળનો વહીવટદાર ઝખાર્યાનો પુત્ર ઈદ્દો હતો. બિન્યામીનના કુળનો વહીવટદાર આબ્નેરનો પુત્ર યાસીએલ હતો. દાનના કુળનો વહીવટદાર યરોહામનો પુત્ર અઝારેલ હતો. *** *** *** *** *** *** દાવિદ રાજાએ વીસ વર્ષથી ઓછી વયના લોકોની ગણતરી કરી નહિ; કારણ, પ્રભુએ ઇઝરાયલ લોકોની સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારવાનું વચન આપ્યું હતું. યોઆબ, જેની માતા સરૂયા હતી, તેણે વસ્તીગણતરી તો શરૂ કરી. પણ પૂરી કરી નહિ. એ વસ્તીગણતરીને કારણે ઈશ્વર ઇઝરાયલ પર શિક્ષા લાવ્યા. તેથી દાવિદ રાજાના ઇતિહાસમાં એ ગણતરીનો આખરી આંકડો દર્શાવવામાં આવ્યો નથી. રાજ્યની મિલક્ત પર નિમાયેલા વહીવટદારોની યાદી આ પ્રમાણે છે: રાજ્યના ભંડારો પર અદિયેલનો પુત્ર અઝમાવેથ વહીવટદાર હતો. સીમ, ગામ અને કિલ્લાના સ્થાનિક ભંડારો પર ઉઝિયાનો પુત્ર યોનાથાન હતો. ખેતમજૂરો પર કલુબનો પુત્ર એઝરી હતો. દ્રાક્ષાવાડીઓ પર સમા નગરનો શિમઈ હતો. દ્રાક્ષારસ અને દ્રાક્ષપેદાશના કોઠારો પર શેફામનો ઝાલ્દી હતો. પશ્ર્વિમની ટેકરીઓ પર ઓલિવ અને ગુલ્લરનાં વૃક્ષો માટે ગેદેર નગરનો બાલ-હનાન હતો. ઓલિવ તેલ ભંડારો પર યોઆશ હતો. શારોનના મેદાનનાં પશુધન માટે શારોનનો શિર્ના હતો. ખીણપ્રદેશના પશુધન માટે આદલાઈનો પુત્ર શાફાટ હતો. ઊંટો માટે ઓબિલ ઈશ્માએલી હતો. ગધેડાં માટે મહેનોથનો યહેદિયા હતો. ઘેટાંબકરાં માટે યાઝીઝ હાગ્રી હતો. *** *** *** *** *** *** દાવિદ રાજાનો ક્કો યોનાથાન સમજુ સલાહકાર અને વિદ્વાન હતો. તે તથા હાખમોનીનો પુત્ર યહિયેલ રાજાના પુત્રોની તાલીમ માટે હતા. અહિથોફેલ રાજાનો સલાહકાર અને હુશાય આર્કી રાજાનો મિત્ર અને સલાહકાર હતો. અહિથોફેલના મરણ પછી બનાયાના પુત્ર અબ્યાથાર અને યહોયાદા રાજાના સલાહકાર બન્યા. યોઆબ રાજાનો સેનાપતિ હતો. દાવિદ રાજાએ ઇઝરાયલના સર્વ આગેવાનોને યરુશાલેમમાં એકઠા કર્યા. એમાં કુળોના આગેવાનો, રાજવહીવટ સંભાળનાર ટુકડીઓના અધિકારીઓ, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ, રાજા અને તેના પુત્રોની માલમિલક્ત અને પશુધન પર દેખરેખ રાખનાર, રાજમહેલના સર્વ અધિકારીઓ, શૂરવીર સૈનિકો અને અગ્રગણ્ય પુરુષો હતા. દાવિદે તેમની સમક્ષ ઊભા રહીને કહ્યું, “મારા ભાઈઓ અને પ્રજાજનો, મારું સાંભળો. પ્રભુની કરારપેટી માટે કાયમી વિરામસ્થાન એટલે, ઈશ્વરના પાયાસન માટે નિવાસસ્થાન બાંધવાનું મારા મનમાં હતું. એ બાંધવાની તૈયારી પણ મેં કરી હતી. પણ ઈશ્વરે મને કહ્યું, ‘તારે મારા નામના સન્માર્થે મંદિર બાંધવાનું નથી; કારણ, તું યોદ્ધો છે અને તેં ઘણું લોહી વહેવડાવ્યું છે.’ ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મને અને મારા વંશજોને ઇઝરાયલ પર સદા રાજ કરવાને પસંદ કર્યા છે. તેમણે રાજસત્તા આપવા માટે યહૂદાના કુળને પસંદ કર્યું, અને યહૂદાના કુળમાંથી તેમણે મારા પિતાના કુટુંબને પસંદ કર્યું. એ આખા કુટુંબમાંથી મને પસંદ કરીને સમગ્ર ઇઝરાયલ પર રાજા બનાવવાનું તેમને પસંદ પડયું. તેમણે મને ઘણા પુત્રો આપ્યા છે, અને તેમણે એ બધામાંથી શલોમોનને પ્રભુના રાજ્ય ઇઝરાયલ પર રાજય કરવા પસંદ કર્યો છે. પ્રભુએ મને કહ્યું, ‘તારો પુત્ર શલોમોન જ મારું મંદિર અને તેનાં પ્રાંગણ બાંધશે. મેં તેને મારો પુત્ર થવા પસંદ કર્યો છે; હું તેનો પિતા થઈશ. તે જેમ હાલમાં પાળે છે તેમ મારા સર્વ નિયમો અને આજ્ઞાઓ કાળજીપૂર્વક પાળવાનું ચાલુ રાખશે તો હું તેનું રાજ્ય કાયમનું કરીશ.’ “તેથી હે મારા પ્રજાજનો, આપણા ઈશ્વરનાં સાંભળતાં પ્રભુના લોક એટલે ઇઝરાયલના સમસ્ત જનસમુદાયની સમક્ષ ફરમાવું છું કે આપણા ઈશ્વર પ્રભુની સર્વ આજ્ઞાઓ ખંતથી પાળો; જેથી આ ફળદ્રુપ દેશનો કબજો તમારા હસ્તક રહે અને આવનાર પેઢીઓ માટે તે વારસામાં મૂક્તા જાઓ.” તેણે શલોમોનને કહ્યું, “મારા દીકરા, તું મારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર અને સંપૂર્ણ દિલથી અને રાજીખુશીથી તેમની સેવા કર. તે આપણા સૌના વિચારો અને ઈરાદાઓ જાણે છે. જો તું તેમને શોધશે, તો તે તને મળશે; પણ જો તું તેમનો ત્યાગ કરીશ તો તે તને સદાને માટે તજી દેશે. યાદ રાખ કે પ્રભુએ તને તેમનું મંદિર બાંધવા પસંદ કર્યો છે; તેથી દૃઢ બન અને તે કાર્ય પાર પાડ.” પછી દાવિદે શલોમોનને મંદિરનો, એટલે તેની પરસાળનો, તેનાં મકાનોનો, તેના ભંડારોનો, તેના ઉપલા માળનો, તેની અંદરની ઓરડીઓનો અને દયાસન રાખવાના પરમપવિત્રસ્થાનનો નકશો આપ્યો. વળી, તેણે પોતાના મનમાં હતું તે પ્રમાણે પ્રભુના મંદિરના ચોક, તેની ચારે બાજુના ખંડો અને મંદિરની સાધનસામગ્રી અને પ્રભુને અર્પિત ભેટોના ભંડારો વિષે બધું જણાવ્યું. તેણે યજ્ઞકારો અને લેવીઓની ટુકડીઓની વ્યવસ્થા, પ્રભુના મંદિરમાંનું સર્વ સેવાકાર્ય તેમજ સેવામાં વપરાતાં સર્વ પાત્રો વિષે સૂચનાઓ આપી. વળી, જુદી જુદી સેવામાં વપરાતાં પાત્રોમાં કેટલું સોનું કે રૂપું વાપરવું તે પણ તેણે ઠરાવી આપ્યું. દીવીઓમાં અને તેનાં કોડિયાંમાં કેટલું સોનું વાપરવું. ચાંદીની બાજઠોમાં કેટલી ચાંદી અને ઈશ્વરને અર્પિત રોટલી માટેની સોનાની મેજમાં કેટલું સોનું વાપરવું, ચીપિયા, કટોરા, અને વાટકાઓમાં કેટલું ચોખ્ખું સોનું વાપરવું અને થાળીઓમાં કેટલું સોનું અને કેટલી ચાંદી વાપરવાં, ધૂપવેદી બનાવવામાં અને પ્રભુની કરારપેટી પર પાંખો પ્રસારી આચ્છાદાન કરનાર વાહકો એટલે કરૂબોમાં કેટલું ચોખ્ખું સોનું વાપરવું તે તેણે જણાવ્યું. દાવિદ રાજાએ કહ્યું, “પ્રભુએ પોતે આપેલી સૂચનાઓ પ્રમાણે લખવામાં આવેલ લેખમાં એ બધું જણાવેલ છે.” દાવિદ રાજાએ પોતાના પુત્ર શલોમોનને કહ્યું, હિંમત રાખ અને કૃતનિશ્ર્વયી બન. કામનો આરંભ કર અને કશાથી એ અટકે નહિ. હું જેમની સેવા કરું છું તે મારા ઈશ્વર પ્રભુ તારી સાથે રહેશે. તે તને તજી દેશે નહિ, પણ મંદિરનું બાંધકામ સંપૂર્ણ કરવામાં તે તારી સાથે રહેશે. યજ્ઞકારો અને લેવીઓએ પ્રભુના મંદિરમાં વારા પ્રમાણે ફરજ બજાવવા ટુકડીઓની વ્યવસ્થા કરેલી છે. માટે પ્રવીણ કારીગરો તને મદદ કરવા તત્પર છે અને સર્વ લોકો અને તેમના આગેવાનો તને આધીન છે. દાવિદ રાજાએ આખી સભાને કહ્યું, “ઈશ્વરે મારા પુત્ર શલોમોનને જ પસંદ કર્યો છે, પણ તે હજુ જુવાન અને બિનઅનુભવી છે અને કામ મોટું છે. કારણ, આ તો માણસ માટેનો મહેલ નહિ, પણ પ્રભુનું મંદિર બાંધવાનું છે. મંદિર માટે જે જે વસ્તુઓની જરૂર છે તે પ્રમાણે મેં સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, ઈમારતી લાકડું, બેસાડવા માટે ગોમેદમણિ, પીરોજમણિ અને રંગબેરંગી કિંમતી પથ્થરો અને પુષ્કળ આરસપહાણ વગેરે સર્વ સાધનસામગ્રી પુષ્કળ જહેમત ઉઠાવીને તૈયાર રાખેલ છે. વળી, એ સર્વ ઉપરાંત મારા ઈશ્વરના મંદિર પ્રત્યેના મારા પ્રેમને લીધે મેં મારી અંગત સંપત્તિમાંથી સોનુંચાંદી આપ્યાં છે. મંદિરની ભીંતોને મઢવા માટે અને કારીગરો જે સર્વ ચીજવસ્તુઓ બનાવશે તેને માટે મેં સો ટન જેટલું ઓફિરનું સોનું અને લગભગ બસો ચાલીસ ટન જેટલી ચાંદી આપ્યાં છે. હવે પ્રભુને રાજીખુશીથી અર્પણ કરવા બીજું કોણ તૈયાર છે?” *** ત્યારે ગોત્રના વડાઓ, કુળોના અધિકારીઓ, સહાધિપતિઓ અને શતાધિપતિઓ અને રાજ્યની સંપત્તિના વહીવટદારો રાજીખુશીથી આપવા તૈયાર થયા. તેમણે મંદિરના કામને માટે આ પ્રમાણે આપ્યું: એક્સો સિત્તેર ટન સોનું, ત્રણસો ચાલીસ ટન કરતાં પણ વધારે ચાંદી, લગભગ છસો વીસ ટન તાંબુ, અને ત્રણ હજાર ચારસો ટન કરતાં વધારે લોખંડ. જેમની પાસે કિંમતી હીરામાણેક હતાં તેમણે તે લેવીના ગેર્શોની ગોત્રના યહિયેલના વહીવટ હસ્તકના મંદિરના ખજાનામાં આપ્યાં. લોકોએ રાજીખુશીથી પ્રભુને આપ્યું અને એટલું બધું અપાયું તેથી તેમને આનંદ થયો. દાવિદ રાજાને પણ ખૂબ આનંદ થયો. તેથી આખી જમાતની સમક્ષ પ્રભુની સ્તુતિ કરતાં દાવિદે કહ્યું, “હે યાહવે, અમારા પૂર્વજ ઇઝરાયલના ઈશ્વર, સદા તમારી સ્તુતિ થાઓ! તમે મહાન, સામર્થ્યવાન, મહિમાવંત, ભવ્ય અને પ્રતાપી છો. આકાશ અને પૃથ્વી પર જે કંઈ છે તે તમારું છે; તમે રાજા છો, સર્વ સત્તાધીશ છો. તમારા તરફથી જ સર્વ ધન અને માન પ્રાપ્ત થાય છે અને તમે તમારાં સામર્થ્ય અને સત્તાથી સર્વ પર રાજ કરો છો, અને સૌને મોટા અને બળવાન બનાવવા એ તમારા હાથમાં છે. તેથી હવે હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા ગૌરવી નામની સ્તુતિ કરીએ છીએ.” “છતાં હું અને મારા લોક હકીક્તમાં તમને કંઈ આપી શકીએ તેમ છીએ જ નહિ; કારણ, અમારું જે કંઈ છે તે તમારા તરફથી જ મળેલું છે અને જે તમારું પોતાનું છે તે જ અમે તમને આપ્યું છે. હે પ્રભુ, અમે અમારા સર્વ પૂર્વજોની માફક તમારી દૃષ્ટિમાં આ જીવનમાં પરદેશી અને પ્રવાસી જેવા છીએ. પૃથ્વી પરના અમારા દિવસો છાયા જેવા અને આશા વગરના છે. હે યાહવે, અમારા ઈશ્વર, તમારા પવિત્ર નામના સન્માનાર્થે મંદિર બાંધવા માટે અમે આ બધી સંપત્તિ એકત્ર કરી છે, પણ એ બધી સંપત્તિ તમારા તરફથી જ પ્રાપ્ત થયેલી છે, અને સર્વ તમારું જ છે. હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો, અને નિખાલસ લોકો પર પ્રસન્‍ન થાઓ છો. મેં તો નિખાલસ અંત:કરણથી તમને આ બધું રાજીખુશીથી આપ્યું છે. અત્રે હાજર થયેલા તમારા લોકો રાજીખુશીથી તમારી પાસે અર્પણ લાવ્યા છે. તે જોઈને મને આનંદ થયો છે. હે પ્રભુ, અમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર, તમારા લોકના હૃદયમાં સદાયે એવી ઉત્કટ ભક્તિભાવના રાખો અને તેમને તમારા પ્રત્યે વિશ્વાસુ રાખો. મારા પુત્ર શલોમોનને પણ પૂરા દિલની એવી નિષ્ઠા આપો કે તે તમારી આજ્ઞાઓ, આદેશો અને વિધિઓનું પાલન કરે અને જે મંદિર બાંધવા મેં આ તૈયારીઓ કરી છે તે બાંધે.” પછી દાવિદે લોકોને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ કરો!” આખી સભાએ તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુને તેમજ રાજાને માન આપવા નતમસ્તકે પ્રણામ કર્યા. બીજે દિવસે તેમણે પ્રભુના માનમાં પશુઓનાં બલિદાન કર્યાં અને પછી લોકોને ખાવા આપ્યાં. વળી, તેમણે એક હજાર આખલા, એક હજાર ઘેટાં, એક હજાર હલવાનનું બલિદાન કર્યું અને વેદી પર તેમનો સંપૂર્ણ દહનબલિ કર્યો. તેઓ દ્રાક્ષાસવનાં પેયાર્પણ પણ લાવ્યા. એમ એ દિવસે તેમણે પ્રભુની સમક્ષ ખાધુંપીધું અને આનંદ કર્યો. તેમણે શલોમોનને બીજીવાર રાજા તરીકે જાહેર કર્યો. ઈશ્વર યાહવેને નામે તેમણે તેનો રાજા તરીકે અને સાદોકનો યજ્ઞકાર તરીકે અભિષેક કર્યો. આમ, શલોમોન પોતાના પિતા દાવિદ પછી પ્રભુના રાજ્યની ગાદી પર આવ્યો. તે રાજા તરીકે સફળ થયો અને સમગ્ર ઇઝરાયલે તેની આણ સ્વીકારી. સર્વ અધિકારીઓ અને સૈનિકો અને દાવિદના બીજા પુત્રો પણ શલોમોનને રાજા ગણી વફાદાર રહ્યા. પ્રભુએ સર્વ ઇઝરાયલી લોકોની દૃષ્ટિમાં શલોમોનને મહાન કર્યો અને ઇઝરાયલમાં થઈ ગયેલા બીજા કોઈ રાજા કરતાં તેને વધારે રાજવૈભવ આપ્યો. યિશાઈના પુત્ર દાવિદે ઇઝરાયલ પર ચાલીસ વર્ષ રાજ કર્યું. તેણે હેબ્રોનમાં સાત વર્ષ અને યરુશાલેમમાં તેત્રીસ વર્ષ રાજ કર્યું. *** તે સંપત્તિવાન અને સન્માનનીય બની ઘણી પાકટ ઉંમરે મરણ પામ્યો, અને તેની જગ્યાએ તેનો પુત્ર શલોમોન રાજા બન્યો. આરંભથી અંત સુધી દાવિદ રાજાનો ઇતિહાસ શમુએલ, નાથાન અને ગાદ એ ત્રણ સંદેશવાહકોના ગ્રંથોમાં નોંધેલો છે. તેણે કેવી રીતે રાજ કર્યું, તે કેવો પરાક્રમી હતો, તેના પર, ઇઝરાયલીઓ પર અને આસપાસનાં રાજ્યો પર શું શું વીત્યું એ બધું એમાં લખેલું છે. દાવિદ રાજાના પુત્ર શલોમોને ઇઝરાયલના રાજ્ય પર પોતાની સત્તા જમાવી. તેના પ્રભુ ઈશ્વરે તેને આશિષ આપી અને તેનો વૈભવ વધાર્યો. શલોમોને સહાધિપતિઓને, શતાધિપતિઓને, ન્યાયાધીશોને, સર્વ અમલદારોને, કુટુંબના સર્વ વડાઓને અને બાકીના સર્વ ઇઝરાયલીઓને એકત્ર થવા ફરમાન કર્યું. પછી પોતાની સાથે સમસ્ત સમુદાયને લઈને તે ગિબ્યોનમાંના ભક્તિના ઉચ્ચસ્થાને ગયો, કારણ, પ્રભુના સેવક મોશેએ વેરાનપ્રદેશમાં બનાવેલો ઈશ્વરનો મુલાકાતમંડપ ત્યાં હતો. જો કે ઈશ્વરની કરારપેટી તો યરુશાલેમમાં હતી. દાવિદે તેને કિર્યાથ-યારીમથી લાવ્યા પછી ત્યાં તેને તંબૂમાં રાખી હતી. હૂરના પુત્ર ઉરીના પુત્ર બસાએલે બનાવેલી તાંબાની વેદી પણ ગિબ્યોનમાં પ્રભુના મંડપની આગળ હતી. શલોમોન રાજા અને સમસ્ત સમુદાયે ત્યાં પ્રભુનું ભજન કર્યું. પ્રભુના મંડપની સામે તામ્રવેદી પર બલિદાન કરીને શલોમોને પ્રભુની આરાધના કરી; તેણે તેના પર એક હજાર પશુઓનો દહનબલિ કર્યો. એ રાત્રે ઈશ્વરે શલોમોનને દર્શન દઈને તેને કહ્યું, “માગ, હું તને શું આપું?” શલોમોને જવાબ આપ્યો, “તમે મારા પિતા દાવિદ પ્રત્યે હમેશા અપાર પ્રેમ દાખવ્યો હતો, અને તમે જ મને તેમના પછી રાજા બનાવ્યો છે. ઓ પ્રભુ પરમેશ્વર, હવે મારા પિતા દાવિદને તમે આપેલું વચન પૂરું કરો. તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અગણિત લોકો પર રાજા બનાવ્યો છે. તેથી આ લોકોને સર્વ બાબતોમાં દોરવણી આપી શકું તે માટે મને વિવેકબુદ્ધિ અને જ્ઞાન આપો; નહિ તો તમારી આ મહાન પ્રજા પર હું કેવી રીતે શાસન ચલાવી શકું?” ઈશ્વરે શલોમોનને કહ્યું, “તેં તારા મનથી યોગ્ય પસંદગી કરી છે. તેં નથી માગ્યાં ધનદોલત કે કીર્તિ કે નથી માગ્યા તારા શત્રુઓના જીવ! અરે, તેં તારે માટે દીર્ઘાયુષ્ય પણ માગ્યું નથી; પણ જેમના પર મેં તને રાજા બનાવ્યો છે તે મારા લોક પર શાસન કરવા તેં વિવેકબુદ્ધિ અને જ્ઞાન માગ્યાં છે. તો હું તને વિવેકબુદ્ધિ અને જ્ઞાન આપીશ. વળી, હું તને તારી અગાઉ થઈ ગયેલા કે તારા પછી થનાર કોઈપણ રાજા કરતાં વધારે ધનદોલત અને કીર્તિ આપીશ.” પછી શલોમોન ગિબ્યોનની ટેકરી પરના ભક્તિસ્થાન, એટલે જ્યાં મુલાકાતમંડપ હતો ત્યાંથી યરુશાલેમ પાછો ફર્યો. ત્યાંથી તેણે ઇઝરાયલ પર રાજ કર્યું. તેણે ચૌદસો રથો અને બાર હજાર ઘોડાઓનું દળ ઊભું કર્યું. તેમાંના કેટલાકને તેણે યરુશાલેમમાં રાખ્યા, જ્યારે બાકીનાને બીજા રથ-નગરોમાં રાખ્યા. એના અમલ દરમ્યાન યરુશાલેમમાં સોનુંરૂપું પથ્થરના જેટલું સામાન્ય થઈ પડયું અને ગંધતરુનું પ્રમાણ નીચાણના પ્રદેશના ગુલ્લર વૃક્ષ જેટલું થઈ પડયું. શલોમોન માટે મૂસરી અને કિલિકિયાથી ઘોડાની આયાત કરવામાં આવતી. ઇજિપ્તમાંથી રથોની આયાત રાજાના સોદાગરો હસ્તક હતી. તેઓ હિત્તી અને અરામી રાજાઓને પણ રથ અને ઘોડા પૂરા પાડતા; તેઓ ચાંદીના છસો સિક્કાના એક લેખે રથો અને દોઢસો સિક્કાના એક લેખે ઘોડા વેચતા. શલોમોને ઈશ્વર યાહવેના નામની ભક્તિ માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બાંધવાનો નિર્ણય કર્યો. તેણે સિત્તેર હજાર માણસોને ભારવાહકો તરીકે, અને એંશી હજારને પથ્થરફોડા તરીકે રોકાયા. તેમના પર દેખરેખ માટે ત્રણ હજાર છસો માણસો રાખ્યા. શલોમોને તૂરના રાજા હિરામને સંદેશો મોકલ્યો: “તમે જેમ મારા પિતા દાવિદને તેમનો રાજમહેલ બાંધવા ગંધતરુનાં લાકડાં મોકલ્યાં હતાં, તેમ મારા પર પણ મોકલો. મારા ઈશ્વર પ્રભુના સન્માનાર્થે હું મંદિર બંધાવું છું. એ પવિત્રસ્થાનમાં હું અને મારા લોક સુગંધીદ્રવ્યોનો ધૂપ બાળીને તેમની ભક્તિ કરીશું, અને ત્યાં જ પ્રભુ અમારા ઈશ્વરના સન્માનાર્થે રોજ સવાર-સાંજ, પ્રત્યેક સાબ્બાથે, ચાંદ્રમાસના પ્રથમ દિવસે અને બીજા પવિત્ર દિવસોએ દહનબલિ ચઢાવીશું. તેમણે હમેશાં એમ કરવાની ઇઝરાયલને આજ્ઞા આપી છે. જે મંદિર હું બાંધવાનો છું તે ઘણું મોટું થશે; કારણ, બીજા સર્વ દેવો કરતાં અમારા ઈશ્વર મોટા છે. જો કે હકીક્તમાં તો ઈશ્વરને માટે કોઈ મંદિર બાંધી શકે જ નહિ; કારણ, આકાશ, અરે, સર્વોચ્ચ આકાશ પણ તેમને સમાવી શકે નહિ. તો પછી હું કોણ કે હું તેમનું મંદિર બાધું? એ તો માત્ર ઈશ્વરને ધૂપ ચઢાવવાનું સ્થાન થશે. તેથી કોતરણીકામમાં તેમ જ સોનું, ચાંદી, તાંબુ, લોખંડ તથા આસમાની, જાંબલી અને લાલ વસ્ત્રોની કારીગરીમાં નિપુણ હોય તેવા માણસને મોકલો. મારા પિતા દાવિદે યહૂદિયા પ્રાંતમાંથી અને યરુશાલેમમાંથી પસંદ કરેલા કારીગરો સાથે તે કામ કરશે. તમારા કઠિયારા પણ નિપુણ છે તે હું જાણું છું. તેથી મને લબાનોનમાંથી ગંધતરું, દેવદાર અને સુખડનાં લાકડાં મોકલી આપો. મોટા પ્રમાણમાં ઈમારતી લાકડાં મોકલી આપો. મોટા પ્રમાણમાં ઈમારતી લાકડાં તૈયાર કરવામાં તમારા માણસોને મદદ કરવા હું મારા માણસોને મોકલીશ; કારણ, મારે મોટું અને ભવ્ય મંદિર બંધાવવાનું છે. *** તમારા માણસોની ખોરાકી માટે હું બે હજાર ટન ઘઉં, બે હજાર ટન જવ, ચાર લાખ લીટર દ્રાક્ષાસવ અને ચાર લાખ લીટર ઓલિવતેલ પૂરાં પાડીશ.” તૂરના રાજા હિરામે શલોમોનને પત્ર દ્વારા જવાબ પાઠવ્યો: “પ્રભુ પોતાના લોક પર પ્રેમ રાખતા હોવાથી તેમણે તમને તેઓ પર રાજા બનાવ્યા છે. આકાશ અને પૃથ્વીના સર્જનહાર ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! તેમણે દાવિદને જ્ઞાની, સમજુ અને બુદ્ધિશાળી પુત્ર આપ્યો છે, અને તે હવે પ્રભુને માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બાંધે છે. હું તમારી પાસે બુદ્ધિમાન અને હુન્‍નરકુશળ હુરામને મોકલું છું. તેની માતા દાનના કુળની છે અને તેનો પિતા તૂરનો વતની છે. તે સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, પથ્થર અને લાકડાંની વસ્તુઓ બનાવવામાં નિપુણ છે. તે આસમાની, જાંબલી અને લાલ વસ્ત્રો તેમજ અળસીરેસાનાં વસ્ત્રો પર કારીગરી કરે છે. તે સર્વ પ્રકારની કોતરણી કરી શકે છે અને સૂચવવામાં આવેલ કોઈપણ ભાત પાડી શકે છે. તમારા કારીગરો અને તમારા પિતા દાવિદ રાજાના કારીગરો સાથે તે કામ કરશે. તો હવે તમારા વચન પ્રમાણે ઘઉં, જવ, દ્રાક્ષાસવ અને ઓલિવતેલ મોકલો. તમારે જોઈતાં ગંધતરુનાં બધાં લાકડાં અમે લબાનોનમાંથી કપાવીશું, અને તરાપા પર બાંધીને દરિયાઈ માર્ગે યાફા સુધી પહોંચાડીશું. ત્યાંથી તમે તે યરુશાલેમ લઈ જઈ જજો.” શલોમોને પોતાના પિતા દાવિદે કરી હતી તેવી વસ્તીગણતરી ઇઝરાયલ દેશમાં વસતા સર્વ પરદેશીઓની કરાવી. એમની સંખ્યા એક લાખ ત્રેપન હજાર છસો થઈ. એમાંથી તેણે સિત્તેર હજારને મજૂરી માટે, એંસી હજારને પહાડી પ્રદેશમાંથી પથ્થરો ફોડવા માટે અને ત્રણ હજાર છસો માણસોને તેમના કામ પર દેખરેખ રાખવા રોકાયા. એ પછી શલોમોન યરુશાલેમમાં મોરિયા પર્વત, જ્યાં તેના પિતા દાવિદને પ્રભુએ દર્શન આપ્યું હતું ત્યાં મંદિર બાંધવા લાગ્યો. એ જગાએ યબૂસી ઓર્નાનનું ખળું હતું; જે દાવિદે મેળવી રાખ્યું હતું. શલોમોને પોતાના રાજ્યકાળના ચોથા વર્ષના બીજા મહિનાને બીજે દિવસે બાંધકામ શરૂ કર્યું. શલોમોને બાંધેલા મંદિરની લંબાઈ સત્તાવીસ મીટર અને પહોળાઈ નવ મીટર હતી. મંદિરના પ્રવેશખંડની પહોળાઈ મંદિરની પહોળાઈ જેટલી જ એટલે, નવ મીટર હતી; જ્યારે તેની ઊંચાઈ ચોપન મીટર હતી. તેણે ખંડનો અંદરનો ભાગ ચોખ્ખા સોનાથી મઢાવ્યો હતો. તેણે મુખ્યખંડની અંદરની દીવાલોને દેવદારનાં પાટિયાં લગાવી તેને ચોખ્ખા સોનાથી મઢી અને તે પર ખજૂરી તેમ જ સાંકળીની ભાત કોતરાવી. રાજાએ સુંદર કિંમતી પાષાણો અને પાર્વાઈમથી આયાત કરેલ સોનાથી મંદિરને શણગાર્યું. તેણે મંદિરના ભારટિયા, બારસાખો, દીવાલો અને બારણાં સોનાથી મઢાવ્યાં અને દીવાલો પર કરૂબો કોતરાવ્યા. અંદરનો ખંડ એટલે પરમ પવિત્રસ્થાનની લંબાઈ નવ મીટર અને તેની પહોળાઈ મંદિરની પહોળાઈ જેટલી જ એટલે નવ મીટર હતી. પરમ પવિત્ર સ્થાનની દીવાલો મઢવા વીસ મેટ્રિક ટન કરતાં વધુ સોનું વપરાયું હતું. ખીલાઓ બનાવવા પાંચસો સિત્તેર ગ્રામ સોનું વપરાયું હતું, અને ઉપરની ઓરડીઓની દીવાલો પણ સોને મઢી હતી. રાજાએ પરમ પવિત્રસ્થાનમાં મૂકવા માટે ધાતુમાંથી બે કરૂબોની પ્રતિકૃતિઓ બનાવડાવી અને તેમને સોનાથી મઢાવ્યા. તેઓ પ્રવેશ તરફ મોં રાખી એકબીજાને પડખે ઊભા હતા. દરેક કરૂબને બે પાંખો હતી અને પ્રત્યેક પાંખ 2.2 મીટર લાંબી હતી. પાંખો એવી રીતે પ્રસારેલી હતી કે ખંડના મધ્યભાગમાં તેઓ એકબીજીને સ્પર્શતી અને ખંડની બન્‍ને બાજુની દીવાલો સુધી પહોંચતી, અને એમ લગભગ નવ મીટર પહોળાઈમાં પ્રસરી રહેતી. *** *** તેણે પરમ પવિત્રસ્થાન માટે નીલા, જાંબુડી અને કિરમજી રંગના સૂતર અને ઝીણા અળસીરેસાનો પડદો બનાવડાવ્યો અને તે પર કરુબોની આકૃતિઓનું ભરતકામ કર્યું હતું. રાજાએ સાડા પંદર મીટર ઊંચાઈના બે સ્તંભ બનાવ્યા અને તેમને મંદિરની મોખરે મૂક્યા. દરેક સ્તંભ પરનો કળશ 2.2 મીટર ઊંચો હતો. સ્તંભના કળશ પર એકબીજાને વીંટાળાયેલી સાંકળીઓ અને તાંબાના સો દાડમની ભાતની કોતરણીઓ હતી. મંદિરના પ્રવેશદ્વારની બન્‍ને બાજુએ સ્તંભ ઊભા કર્યા હતા: તેણે દક્ષિણ તરફના સ્તંભનું નામ યાખીન (સ્થાપના) અને ઉત્તર તરફના સ્તંભનું બોઆઝ (બળ) નામ પાડયું. શલોમોન રાજાએ નવ ચોરસમીટરની સાડા ચાર મીટર ઊંચી તાંબાની વેદી બનાવડાવી. તેણે તાંબાનો જળકુંડ બનાવ્યો; તે 2.2 મીટર ઊંડો હતો; તેનો વ્યાસ 4.4. મીટર અને પરિઘ 13.2 મીટર હતો. જળકુંડની કિનારને ફરતે બહારની બાજુએ શણગારની એક ઉપર બીજી એમ બે હારો હતી. શણગારમાં જળકુંડની સાથે જ આખલાની ઢાળેલી આકૃતિઓ હતી. પ્રત્યેક દિશામાં ત્રણ એમ બહારની તરફ મોં રાખેલા તાંબાના બાર આખલાની પીઠ પર જળકુંડ મૂકેલો હતો. જળકુંડની બાજુની જાડાઈ 75 મીલિમીટર હતી. તેની કિનાર પ્યાલાની કિનાર જેવી ફૂલની પાંખડીઓની જેમ બહારની તરફ વળેલી હતી. જળકુંડમાં લગભગ સાઠ હજાર લિટર પાણી સમાતું હતું. મંદિરની દક્ષિણ તરફ મૂકવા પાંચ અને ઉત્તર તરફ મૂકવા પાંચ એમ કુલ દસ કૂંડાં પણ તેણે બનાવ્યાં. દહનબલિ તરીકે ચઢાવાતાં પશુઓના ભાગ ધોવા માટે એ કૂંડા હતાં. મોટા જળકુંડમાંનું પાણી યજ્ઞકારોના હાથપગ ધોવા માટે હતું. તેણે નિયત નમૂના પ્રમાણે સોનાની દસ દીવીઓ અને દસ મેજ બનાવી અને મંદિરના મુખ્ય ખંડમાં બંને બાજુએ પાંચ દીવી અને પાંચ મેજ મૂકાવી. તેણે સો સુવર્ણપ્યાલા પણ બનાવ્યા. *** તેણે યજ્ઞકારો માટે અંદરનો ચોક અને બહાર પણ એક ચોક બનાવ્યા. ચોકની વચ્ચેના દરવાજાનાં કમાડ તાંબાથી મઢેલાં હતાં. જળકુંડ મંદિરના અગ્નિખૂણા નજીક મૂક્યો હતો. હુરામે તાંબાનાં ભસ્મપાત્રો, પાવડા અને પ્યાલા બનાવ્યા. એ રીતે તેણે ઈશ્વરના મંદિરને માટે જે જે ચીજવસ્તુઓ બનાવવાનું રાજા શલોમોનનું કામ સ્વીકાર્યું હતું તે તેણે પૂરું કર્યું: બે સ્તંભ સ્તંભની ટોચ પરના પ્યાલા આકારના બે કળશ દરેક કળશ પર એકબીજીને વીંટાળાયેલ સાંકળીની ભાતની કોતરણી પ્રત્યેક કળશની ફરતે બે હારમાં ગોઠવેલાં તાંબાનાં ચારસો દાડમો દસ જળ લારીઓ દસ જળકુંડીઓ જળકુંડ જળકુંડ મૂકવા માટે બાર આખલા ભસ્મપાત્રો, પાવડા, ત્રિશૂળો. શલોમોન રાજાએ આજ્ઞા આપી હતી તેમ કુશળ કારીગર હુરામે પ્રભુના મંદિરમાં ઉપયોગ માટે એ બધી ચીજવસ્તુઓ ઓપેલા તાંબાની બનાવી. *** *** *** *** *** રાજાએ બધી વસ્તુઓ યર્દનની ખીણમાં સુક્કોથ અને સરેદાની વચ્ચે ધાતુ ગાળવાની જગામાં બનાવી. એટલી બધી વસ્તુઓ બનાવાઈ હતી કે એમાં વપરાયેલા તાંબાનું એકંદર વજન અણતોલ હતું. શલોમોન રાજાએ મંદિર માટે સોનાની સાધનસામગ્રી પણ બનાવડાવી. વેદી અને ઈશ્વરને અર્પિત રોટલી માટેની મેજો; નમૂના મુજબ પરમ પવિત્ર સ્થાનની આગળ સળગાવવાના દીવાઓ અને તેમની દીવીઓ; તેમાં ફૂલોની કોતરણી, દીવા અને ચીપિયા; દિવેટ સમારવા કાતરો, પ્યાલા, ધૂપદાનીઓ, અને અંગારપાત્રો. આ બધી વસ્તુઓ ચોખ્ખા સોનાની બનાવેલી હતી. મંદિરનાં બહારનાં બારણાં અને પરમ પવિત્રસ્થાનનાં બારણાં સોનાથી મઢયાં હતાં. શલોમોન રાજાએ પ્રભુના મંદિરનું સઘળું કામ પૂરું કર્યું. એટલે તેના પિતા દાવિદે પ્રભુને અર્પેલાં સોનાચાંદીનાં પાત્રો અને અન્ય સામગ્રી લાવીને મંદિરના ભંડારોમાં મૂક્યાં. પછી શલોમોન રાજાએ દાવિદનગર સિયોનમાંથી કરારપેટી મંદિરમાં લઈ આવવા માટે ઇઝરાયલનાં સર્વકુળો અને ગોત્રોના આગેવાનોને યરુશાલેમમાં એકઠા કર્યા. તેઓ સૌ માંડવાપર્વના સમયે એકઠા થયા. સર્વ આગેવાનો એકઠા થયા એટલે લેવીઓ કરારકોશ ઊંચકીને તેને મંદિરમાં લઈ આવ્યા. યજ્ઞકારો અને લેવીઓ મુલાકાતમંડપને તેની સઘળી સાધનસામગ્રી સહિત મંદિરમાં લઈ આવ્યા. *** શલોમોન રાજાએ અને એકત્ર થયેલા ઇઝરાયલના સર્વ લોકોએ કરારપેટી આગળ અસંખ્ય ઘેટાં અને આખલાનાં બલિદાન ચડાવ્યાં. પછી યજ્ઞકારો પ્રભુની કરારપેટી ઊંચકીને મંદિરમાં લઈ ગયા અને તેને કરુબોની પાંખો નીચે પરમ પવિત્રસ્થાનમાં મૂકી. કરારપેટી અને તેને ઊંચકવાના દાંડા તેમની પ્રસારેલી પાંખોથી આચ્છાદિત હતાં. દાંડાના છેડા બીજી કોઈ જગ્યાએથી નહિ, પણ માત્ર પરમ પવિત્રસ્થાન સમક્ષ ઊભો રહેવાથી જ જોઈ શક્તા હતા. (આજે પણ તે ત્યાં છે.) ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે પ્રભુએ તેમની સાથે કરેલો કરાર એટલે સિનાઈ પર્વત આગળ મોશેએ જે બે પથ્થરની તક્તીઓ મૂકી હતી તે સિવાય કરારપેટીમાં બીજું કંઈ નહોતું. પોતે કયા વારામાં કે જૂથના છે એનો ભેદ રાખ્યા વિના હાજર રહેલા સર્વ યજ્ઞકારોએ પોતાને સમર્પિત કર્યા. આસાફ, હેમાન અને યદુથૂન તથા તેના ગોત્રના સર્વ લેવીઓએ અળસીરેસાનાં વસ્ત્ર પહેર્યાં હતાં. લેવીઓ ઝાંઝ અને વીણા સાથે વેદીની પૂર્વગમ ઊભા હતા અને તેમની સાથે એક્સો વીસ યજ્ઞકારો રણશિંગડાં વગાડતા હતા. રણશિંગડાં વગાડનારાઓએ અને ગાયકોએ એક સાથે તાલબદ્ધ રીતે પ્રભુની આભારસ્તુતિ કરવાની હતી. તેથી રણશિંગડાં વગાડતાંની સાથે જ તેમણે ઊંચે સાદે ગીત ગાયું: “પ્રભુની સ્તુતિ હો, કેમ કે તે ભલા છે અને તેમનો પ્રેમ સનાતન છે.” ત્યારે પ્રભુનું મંદિર એકાએક વાદળથી ભરાઈ ગયું. પ્રભુનું ગૌરવ મંદિરમાં વ્યાપી ગયું હોઈ યજ્ઞકારો ત્યાં આરાધના કરવા ઊભા રહી શક્યા નહિ. પછી શલોમોન રાજાએ પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, તમે વાદળો અને અંધકારમાં રહેવાનું પસંદ કરો છો. પણ હવે મેં તમારે માટે ભવ્ય મંદિર બાંધ્યું છે, જ્યાં તમે સદા રહી શકો.” રાજાએ ત્યાં ઊભા રહેલા ઇઝરાયલના સર્વ લોક તરફ ફરીને તેમના પર ઈશ્વરની આશિષ માગી. તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. તેમણે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું છે. તેમણે કહ્યું હતું, ‘મારા લોકને હું ઇજિપ્તમાંથી છોડાવી લાવ્યો ત્યારથી આજ સુધી મારા નામની ભક્તિ કરવા માટે મંદિર બાંધવા ઇઝરાયલ દેશના કોઈ શહેરને પસંદ કર્યું નથી અને મારા ઇઝરાયલી લોકનો આગેવાન થવા કોઈને પસંદ કર્યો નથી. પણ હવે મારા નામની ભક્તિ કરવાના સ્થળ તરીકે મેં યરુશાલેમને પસંદ કર્યું છે અને હે દાવિદ, તને મેં મારા લોક પર રાજ કરવા પસંદ કર્યો છે.” વળી, શલોમોને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની આરાધના કરવા માટે મારા પિતા દાવિદે મંદિર બાંધવાનું નક્કી કર્યું હતું, પણ પ્રભુએ તેમને કહ્યું, ‘મારે માટે મંદિર બાંધવાનો તારો વિચાર તો સારો છે, પણ તું તે બાંધી શકીશ નહિ. તારો, હા, તારો પોતાનો પુત્ર મારું મંદિર બાંધશે.’ “હવે પ્રભુએ પોતાનું વચન પાળ્યું છે: મારા પિતા દાવિદની જગાએ હું ઇઝરાયલનો રાજા બન્યો છું, અને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સેવાભક્તિ કરવા મેં મંદિર બાંધ્યું છે. મેં મંદિરમાં કરારપેટી મૂકી છે; જેમાં ઇઝરાયલી લોકો સાથે પ્રભુએ કરેલા કરારની શિલાપાટીઓ છે.” પછી લોકોની હાજરીમાં શલોમોન વેદી સમક્ષ જઈને ઊભો રહ્યો અને હાથ પ્રસારી પ્રાર્થના કરી. (શલોમોને 2.2 ચોરસમીટરની 1.3 મીટર ઊંચી તાંબાની બાજઠ બનાવડાવી હતી. તેને ચોકની મધ્યમાં મૂકી હતી. એ બાજઠ ઉપર ચઢીને સૌ જોઈ શકે તેમ તેણે ધૂંટણિયે પડીને હાથ પ્રસારી પ્રાર્થના કરી.) તેણે કહ્યું, “હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, સમસ્ત આકાશ અને પૃથ્વી પર તમારા જેવા ઈશ્વર છે જ નહિ. પોતાના દયની પૂરી નિષ્ઠાથી તમારી સેવા કરનાર તમારા લોક સાથેનો કરાર તમે પાળો છો અને તેમના પર તમારો પ્રેમ દર્શાવો છો. તમે તમારે મુખે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું છે; તમારે હાથે એ આજે અક્ષરસ: પૂર્ણ થયું છે. તો હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, મારા પિતા દાવિદને આપેલું બીજું વચન પણ પાળો. તમે તેમને કહ્યું હતું કે જો તારા વંશજો તારી જેમ મારા નિયમનું કાળજીપૂર્વક પાલન કરશે તો ઇઝરાયલના રાજા તરીકે તારો વંશજ જ રાજ કરશે. તેથી, હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે તમારા સેવક દાવિદને આપેલું પ્રત્યેક વચન પૂર્ણ કરો. “પણ હે ઈશ્વર, શું તમે માણસો મધ્યે વાસ કરશો? આકાશોનાં આકાશ તમારો સમાવેશ કરી શકે નહિ, તો મેં બંધાવેલા મંદિરમાં તમે શી રીતે વાસ કરી શકો? હે પ્રભુ, મારા ઈશ્વર, હું તમારો સેવક છું. મારી પ્રાર્થના પ્રત્યે લક્ષ આપો અને મારી વિનંતીઓ સાંભળો. આ મંદિર પર રાતદિવસ તમારી દૃષ્ટિ રાખજો; કારણ, તમે વચન આપ્યું છે કે આ સ્થળે તમારા નામની ભક્તિ થશે, તો તમારા મંદિર તરફ મુખ રાખી હું પ્રાર્થના કરું છું ત્યારે મારું સાંભળો. મારી પ્રાર્થનાઓ અને તમારા ઇઝરાયલી લોકની આ સ્થળ તરફ મુખ રાખીને કરેલી પ્રાર્થનાઓ સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી સાંભળીને અમને ક્ષમા કરજો. “જ્યારે કોઈ વ્યક્તિ પર કોઈનું ભૂંડું કર્યાનો આક્ષેપ હોય અને પોતે નિર્દોષ છે એવા સમ ખાવાને તેને આ મંદિરમાં વેદી સમક્ષ લાવવામાં આવે, ત્યારે હે પ્રભુ, તમે આકાશમાંથી સાંભળીને તમારા સેવકોનો ન્યાય કરજો. દોષિતને ઘટતી શિક્ષા કરજો અને નિર્દોષને ન્યાયી ઠરાવજો. “તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે તમારા ઇઝરાયલ લોક તેમના શત્રુઓ આગળ હાર પામે, અને ત્યારે તેઓ તમારી તરફ ફરે અને ક્ષમાયાચના કરતાં આ મંદિરમાં આવે, તો આકાશમાંથી તમે તેમનું સાંભળજો. તમારા લોકને તેમનાં પાપની ક્ષમા કરજો અને તેમને અને તેમના પૂર્વજોને આપેલા આ દેશમાં તેમને પાછા લાવજો. “તમારી વિરુદ્ધ તમારા લોકે પાપ કર્યાને લીધે તમે વરસાદ અટકાવો અને તે વખતે જો તેઓ પાપથી પાછા ફરીને આ મંદિર તરફ મુખ રાખીને તમને નમ્રતાથી પ્રાર્થના કરે, તો ઓ પ્રભુ, તમે આકાશમાંથી તેમનું સાંભળજો અને તમારા સેવકો એટલે, ઇઝરાયલી લોકોનાં પાપ માફ કરજો, અને તેમને સન્માર્ગે ચાલતાં શીખવજો. ત્યારે હે પ્રભુ, તમારા લોકને તમે કાયમી વસવાટ માટે આપેલ તમારા દેશમાં વરસાદ વરસાવજો. “દેશમાં દુકાળ પડે, કે રોગચાળો ફાટી નીકળે, અથવા લૂથી, તીડથી કે કાતરાથી પાકનો વિનાશ થાય, અથવા તમારા લોક પર તેમના શત્રુઓ આક્રમણ કરે, અથવા તેમનામાં રોગ કે માંદગી આવે, તો તમે તેમની પ્રાર્થના સાંભળજો. તમારા ઇઝરાયલી લોકમાંથી કોઈપણ વ્યક્તિ દુ:ખિત દયે આ મંદિર તરફ હાથ પ્રસારી જે કંઈ આજીજી કે પ્રાર્થના કરે, તો તેની પ્રાર્થના સાંભળજો અને તમારા નિવાસસ્થાન આકાશમાંથી તેનું સાંભળીને તેને ક્ષમા કરજો. તમે એકલા જ માનવી દયના વિચારો જાણો છો. પ્રત્યેક વ્યક્તિ સાથે તમે ઘટતો વ્યવહાર કરજો, જેથી તમારા લોક તમારો ડર રાખે અને અમારા પૂર્વજોને તમે આપેલ દેશમાં રહેતાં તેઓ તમને સદા આધીન રહીને અનુસરે. “દૂર દેશમાં રહેતા કોઈ પરદેશીને ખબર પડે કે તમે કેવા મહાન અને શક્તિશાળી છો અને સહાય કરવા તત્પર છો, અને તે આ મંદિરમાં આવીને તમને પ્રાર્થના કરે તો તમે તેની પ્રાર્થના સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તમે તેનું સાંભળજો અને તેની માગણી પૂરી કરજો, જેથી દુનિયાના સર્વ લોક તમને ઓળખે, અને તમારા લોક ઇઝરાયલની જેમ તમને આધીન થાય. ત્યારે તો તેઓ જાણશે કે મેં બંધાવેલું મંદિર તમારું છે અને તમારા નામના સન્માનાર્થે છે. “તમે તમારા લોકને તેમના શત્રુઓ સામે જ્યાં જ્યાં લડવા જવાની આજ્ઞા કરો, અને તેઓ જ્યાં હોય ત્યાંથી આ નગર કે જેને તમે પસંદ કર્યું છે અને આ મંદિર કે જેને મેં તમારા નામના સન્માન માટે બાંધ્યું છે તે તરફ ફરીને પ્રાર્થના કરે, તો તમે આકાશમાંથી તેમની આજીજી અને પ્રાર્થના સાંભળજો અને તેમને વિજય અપાવજો. “તમારા લોક તમારી વિરુધ પાપ કરે, અને પાપ ન કરે એવું કોઈ છે જ નહિ. અને તમારા કોપમાં તમે તેમને તેમના શત્રુઓ આગળ હાર પમાડો અને તેમને કોઈ દૂરના કે નજીકના બીજા દેશમાં કેદીઓ તરીકે લઈ જવા દો, અને તે દેશ બહુ દૂર હોય, ત્યારે જ્યાં તેમને કેદ કરી લઈ જવામાં આવ્યા છે એ દેશમાં તેમને તેમની ગુલામીની દશામાં ભાન થાય કે તેઓ પોતે કેવા દુષ્ટ અને પાપી છે અને એવી કબૂલાત સાથે પાપથી પાછા ફરીને તમને એ દેશમાંથી પ્રાર્થના કરે, અને એ દેશમાં તેઓ સાચી રીતે અને નિખાલસપણે તમારી તરફ ફરે અને આ દેશ જે તમે અમારા પૂર્વજોને આપ્યો છે, આ નગર જેને તમે પસંદ કર્યું છે અને આ મંદિર જેને મેં તમારા નામની ભક્તિ માટે બાંધ્યું છે તે તરફ ફરીને પ્રાર્થના કરે, તો તેમની પ્રાર્થના સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તેમનું સાંભળીને તમારા લોકનાં સર્વ પાપ ક્ષમા કરજો. “હવે, ઓ પ્રભુ, અમારા તરફ જુઓ અને આ સ્થાનમાં કરાયેલી પ્રાર્થનાઓ સાંભળો.” તો હે પ્રભુ, હવે ઊઠો; અને તમારા સામર્થ્યના પ્રતીક સમી કરારપેટી સાથે મંદિરમાં પ્રવેશો અને અહીં સદા રહો. તમારા યજ્ઞકારોને વિજયનાં વસ્ત્ર પહેરાવો અને તમારા સંતો તમારી ભલાઈ માણે. હે પ્રભુ પરમેશ્વર, તમારા પસંદ કરેલા અભિષિક્ત રાજાનો તમે ત્યાગ ન કરશો. તમારા સેવક દાવિદ પ્રત્યેનો તમારો પ્રેમ સંભારો.” શલોમોને તેની પ્રાર્થના પૂરી કે આકાશમાંથી અગ્નિએ પડીને દહનબલિ તથા બલિદાનો ભસ્મ કરી દીધાં અને પ્રભુના ગૌરવની હાજરીથી મંદિર ભરાઈ ગયું. મંદિર પ્રભુના ગૌરવથી ભરાઈ ગયું હોવાથી યજ્ઞકારો તેમાં પ્રવેશી શક્યા નહિ. આકાશમાંથી અગ્નિ પડતો જોઈને અને મંદિરને ગૌરવથી ભરાઈ ગયેલું જોઈને ઇઝરાયલી લોકોએ ફરસબંધી પર ધૂંટણિયે પડીને પોતાનાં મુખ નમાવીને ભજન કર્યું અને પ્રભુની સ્તુતિ કરતાં કહ્યું, “પ્રભુ દયાળુ છે; તેમનો પ્રેમ સનાતન છે.” શલોમોન અને લોકોએ પ્રભુને અર્પણો ચઢાવ્યાં. તેણે સંગતબલિ તરીકે બાવીસ હજાર બળદો અને એક લાખ વીસ હજાર ઘેટાંનું અર્પણ કર્યું. યજ્ઞકારો તેમને ફાળવેલા નિયત સ્થાનોએ ઊભા હતા, જ્યારે તેમની સંમુખ લેવીઓ દાવિદ રાજાએ પૂરાં પાડેલાં વાજિંત્રો સાથે પ્રભુની સ્તુતિ કરતા અને દાવિદના આદેશ પ્રમાણે “પ્રભુનો પ્રેમ સનાતન છે” એવું સ્તોત્ર ગાતા ઊભા હતા. યજ્ઞકારો રણશિંગડાં ફૂંક્તા હતા અને સર્વ ઇઝરાયલી લોકો ઊભા હતા. શલોમોને મંદિરની આગળના ચોકના મધ્ય ભાગને પણ પવિત્ર કર્યો, અને ત્યાં સંપૂર્ણ દહનબલિ, ધાન્યાર્પણ અને સંગતબલિની ચરબીનું અર્પણ કર્યું. આ બધાં અર્પણો તેણે બનાવેલી તાંબાની વેદી પર સમાઈ શકે તેમ ન હોઈ તેણે તેમ કર્યું. શલોમોન અને સર્વ લોકે સાત દિવસ સુધી માંડવાપર્વ મનાવ્યું. ઉત્તરમાં છેક હમાથ ઘાટથી દક્ષિણમાં ઇજિપ્તના વહેળા સુધીના લોકોનો મોટો સમુદાય હતો. તેમણે સાત દિવસ વેદીના સમર્પણમાં ગાળ્યા હતા અને પછી બીજા સાત દિવસ માંડવાપર્વ મનાવ્યું. છેલ્લે દિવસે પર્વની સમાપ્તિની સભા કરી. તે પછીના દિવસે એટલે સાતમા માસને ત્રેવીસમે દિવસે શલોમોને લોકોને ઘેર વિદાય કર્યા. પ્રભુએ પોતાના ઇઝરાયલી લોકને, દાવિદને અને શલોમોનને આપેલા સર્વ આશીર્વાદોથી તેઓ સૌ હર્ષોલ્લાસી હતા. શલોમોને પ્રભુના મંદિર અને રાજમહેલનાં બાંધકામ પૂર્વ નિર્ધારિત આયોજન પ્રમાણે સફળતાપૂર્વક પૂરાં કર્યાં. ત્યારે પ્રભુએ તેને રાતે દર્શન આપ્યું. તેમણે તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના સાંભળી છે, અને મને બલિદાન ચડાવવાના સ્થાન તરીકે મેં આ મંદિરને સ્વીકાર્યું છે. જ્યારે હું આકાશમાં વરસાદ અટકાવું અથવા પાક ખાઈ જવા તીડો મોકલું અથવા મારા લોકમાં રોગચાળો લાવું, ત્યારે જો મારા નામથી ઓળખાતા મારા લોક મારે શરણે આવે, મને પ્રાર્થના કરે, મારી ઝંખના સેવે અને તેમનાં દુષ્કર્મોથી પાછા ફરે, તો હું આકાશમાં તેમનું સાંભળીશ, તેમનાં પાપ ક્ષમા કરીશ, અને તેમના દેશને ફરી સમૃદ્ધ કરીશ. આ મંદિર પર હું સતત મારી દૃષ્ટિ રાખીશ અને અહીં થતી સર્વ પ્રાર્થનાઓ સાંભળવા મારા કાન માંડી રાખીશ. કારણ, મેં તેને પસંદ કર્યું છે. મારા નામના હંમેશના ભક્તિસ્થાન તરીકે મેં તેને પવિત્ર કર્યું છે. મારી દૃષ્ટિ અને મારું ચિત્ત સતત અહીં ચોંટેલાં રહેશે. જો તું તારા પિતા દાવિદની જેમ મને નિષ્ઠાથી અનુસરીશ, મારા કહેવા પ્રમાણે કરીશ અને મારા નિયમો અને ફરમાનો પાળીશ, તો તારા પિતા દાવિદ સાથે કરેલા કરાર પ્રમાણે હું તારું રાજ્યાસન કાયમને માટે સ્થાપીશ. તારા પિતા દાવિદને તો મેં એવું વચન આપ્યું હતું કે તારો વંશજ ઇઝરાયલ પર સદા રાજ કરશે. “પણ તું કે તારા લોક મેં તમને આપેલા મારા નિયમો કે આજ્ઞાઓની અવજ્ઞા કરશો અને અન્ય દેવોની ભક્તિ કરશો, તો મેં આપેલા આ દેશમાંથી હું તમારું નિકંદન કાઢી નાખીશ અને મેં મારા નામની આરાધના માટે પવિત્ર કરેલ આ મંદિરનો હું ત્યાગ કરીશ. સર્વ જગાના લોકોમાં એ મશ્કરી અને તિરસ્કારનો વિષય થઇ પડશે. “અત્યારે તો આ ભવ્ય મંદિરની પ્રશંસા થાય છે, પણ ત્યારે તેની પાસે થઈને પસાર થનાર પ્રત્યેક વ્યક્તિ આશ્ર્વર્યચકિત થઈ પૂછશે, ‘પ્રભુએ આ દેશ અને આ મંદિરની આવી દુર્દશા કેમ કરી છે?’ ત્યારે લોકો કહેશે, ‘આવું એટલા માટે બન્યું કે લોકોએ તેમના પૂર્વજોને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર પ્રભુનો ત્યાગ કર્યો છે. અન્ય દેવોનો અંગીકાર કરીને તેમની સેવા ભક્તિ કરી છે, તેથી પ્રભુ તેમના પર આ બધી આફત લાવ્યા છે.” શલોમોનને પ્રભુનું મંદિર અને તેનો રાજમહેલ બાંધતાં વીસ વર્ષ લાગ્યાં. હિરામ રાજાએ તેને આપેલાં નગરો તેણે ફરી બંધાવ્યાં અને તેમાં ઇઝરાયલીઓને વસાવ્યા. તેણે હમાથ અને સોબાનો પ્રદેશ જીતી લીધો, અને વેરાનપ્રદેશમાં તદમોર નગરને કિલ્લેબંધીવાળું બનાવ્યું. તેણે હમાથનાં ભંડારવાળાં નગરો પણ ફરીથી બાંધ્યાં. શલોમોને ઉપલું બેથહારોન અને નીચલું બેથહારોન પણ બંધાવ્યાં અને તેમને કોટ, દરવાજા અને ભોગળોથી સુરક્ષિત કર્યાં. વળી, તેણે બાલાથ નગર, તેનાં પૂરવઠા કેન્દ્રનાં સર્વ નગરો, અને તેના રથો અને ઘોડાઓ રાખવાનાં સર્વ નગરો પણ બાંધ્યાં. યરુશાલેમમાં, લબાનોનમાં અને તેના તાબા હેઠળના સઘળા પ્રદેશમાં પોતાના મનની ઇચ્છા પ્રમાણે તેણે સઘળું બાંધકામ કર્યું. ઇઝરાયલીઓએ દેશનો કબજો લીધો ત્યારે કનાનના જે લોકોનો તેમણે નાશ નહોતો કર્યો તેમના વંશજો પર શલોમોને વેઠ નાખી. એમાં હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ હતા, જેમના વંશજો આજ સુધી ગુલામ રહ્યા છે. *** પણ શલોમોને પોતાનાં કામ પર ઇઝરાયલીઓને વેઠિયા તરીકે રાખ્યા નહોતા. તેઓ તો સૈનિકો, અધિકારીઓ, રથદળના આગેવાનો, અને ઘોડેસ્વારો હતા. જુદાં જુદાં બાંધકામો પર કામ કરતા વેઠિયા મજૂરો પર દેખરેખ માટે અઢીસો અધિકારીઓ હતા. શલોમોને પોતાની પત્ની, ઇજિપ્તના રાજા ફેરોની દીકરીને દાવિદનગરમાંથી તેને માટે બાંધેલા નગરમાં રહેવા મોકલી. તેણે કહ્યું, “ઇઝરાયલના રાજા દાવિદના રાજમહેલમાં તે રહી શકે નહિ, કારણ, જ્યાં પ્રભુનો કરારકોશ રખાયો છે તે જગ્યા પવિત્ર છે.” શલોમોને પોતે મંદિરની આગળ બંધાવેલી વેદી પર બલિદાન ચઢાવ્યાં. તેણે મોશેના નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે પ્રત્યેક પવિત્ર દિવસે એટલે, સાબ્બાથદિને, ચાંદ્ર માસને પ્રથમ દિવસે અને ખમીરરહિત રોટલીનું પર્વ, કાપણીનું સાપ્તાહિક પર્વ અને માંડવાપર્વ એ ત્રણ વાર્ષિક ઉત્સવોએ દહનબલિ ચઢાવ્યા. પોતાના પિતા દાવિદે નક્કી કરેલા નિયમો પ્રમાણે તેણે યજ્ઞકારોની તથા સ્તોત્ર ગાવાનાં અને ન્યાય કામોમાં મદદ કરવા લેવીઓની દૈનિક કામગીરીની વ્યવસ્થા ગોઠવી. ઈશ્વરભક્ત દાવિદની આજ્ઞા પ્રમાણે પ્રત્યેક દરવાજા પર રોજની ફરજ બજાવવા માટે તેણે મંદિરના રક્ષકોની ટુકડીઓની વ્યવસ્થા કરી. દાવિદે મંદિરના ભંડારો અને અન્ય બાબતો અંગે યજ્ઞકારો અને લેવીઓને આપેલી સૂચનાઓ ચુસ્તપણે પાળવામાં આવી હતી. આ સમય દરમ્યાન શલોમોનનાં બધાં બાંધકામો પૂરાં થઈ ગયાં હતાં. પ્રભુના મંદિરનો પાયો નાખવાથી માંડીને તેને પૂરું કરવા સુધીનું સઘળું કામ તેણે સફળતાપૂર્વક પાર પાડયું હતું. પછી શલોમોન અકાબાના અખાતને કિનારે આવેલાં અદોમ પ્રદેશનાં બંદરો એસ્યોન ગેબેર અને એલાથમાં ગયો. હિરામ રાજાએ પોતાના અધિકારીઓની રાહબરી હેઠળ કુશળ નાવિકો હસ્તક શલોમોનને માટે વહાણો મોકલી આપ્યાં. તેઓ શલોમોનના અધિકારી સાથે ઓફિરના પ્રદેશમાં ગયા અને ત્યાંથી તેને માટે પંદર હજાર કિલોગ્રામ સોનું લાવ્યા. શલોમોનની કીર્તિ સાંભળીને શેબાની રાણી જટિલ પ્રશ્ર્નો પૂછી તેની પરીક્ષા કરવા યરુશાલેમ આવી. તે પોતાની સાથે ભારે રસાલો અને ઊંટો પર અત્તરો, જર ઝવેરાત અને પુષ્કળ સોનું લાદીને આવી. જ્યારે તે શલોમોનને મળી ત્યારે તેણે તેના મનમાં જેટલા પ્રશ્ર્ન હતા તે બધા પ્રશ્ર્ન પૂછયા. શલોમોને બધા પ્રશ્ર્નોના ઉત્તર આપ્યા; એવો એક પણ પ્રશ્ર્ન નહોતો કે જેનો તે ખુલાસો કરી ન શકે. શેબાની રાણીએ શલોમોનની જ્ઞાનવાણી સાંભળી અને તેણે બાંધેલો રાજમહેલ જોયો. તેણે તેના મેજ પર પીરસાતી વાનગીઓ, તેના અધિકારીઓના આવાસો, તેના રાજમહેલના કર્મચારીગણની વ્યવસ્થા, તેમનો ગણવેશ, મિજબાની વખતે તેની તહેનાતમાં ઊભા રહેતા સેવકોનાં વસ્ત્રો અને મંદિરમાં જે બલિદાનો તે ચડાવતો એ બધું જોયું, ત્યારે તે આશ્ર્વર્યથી સ્તબ્ધ થઈ ગઈ. તેણે રાજાને કહ્યું, “મેં મારા દેશમાં તમારે વિષે અને તમારા જ્ઞાનવિવેક અંગે જે સાંભળ્યું હતું તે બધું સાચું છે. મેં અહીં આવીને એ બધું મારી નજરે જોયું ત્યાં સુધી મને જે કહેવામાં આવ્યું હતું તે મારા માન્યામાં આવતું નહોતું. પણ તમારા જ્ઞાનવિવેક વિષે તો મેં અડધું પણ સાંભળ્યું નહોતું. લોકો કહે છે તેના કરતાં યે તમે વધારે જ્ઞાની છો. તમારી સેવાચાકરી કરનાર તમારા સેવકોને ધન્ય છે, કે તેઓ હંમેશા તમારી હજુરમાં રહે છે અને તમારી જ્ઞાનવાણી સાંભળવાનો મોટો લહાવો મેળવે છે! તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ હો! તેમણે તમારા પર પ્રસન્‍ન થઈને તમને પોતાના રાજ્યની ગાદી પર બેસાડયા છે. તે પોતાના ઇઝરાયલી લોક પર પ્રેમ રાખતા હોવાથી તેમને કાયમને માટે સાચવી સંભાળી રાખવા તેમણે તમને રાજા બનાવ્યા છે; જેથી તમે ન્યાયનીતિ પ્રવર્તાવી શકો.” તેણે શલોમોન રાજાને ચાર હજાર કિલોગ્રામ કરતાં વધુ સોનું, મોટા પ્રમાણમાં અત્તરો અને ઝવેરાતની ભેટો આપી. શેબાની રાણીએ શલોમોન રાજાને આપેલાં અત્તરો જેવાં ઉત્તમ અત્તરો કદી કોઈએ જોયાં જ નહોતાં. વળી, ઓફિરમાંથી સોનું લાવનાર હિરામ રાજા અને શલોમોન રાજાના માણસો પોતાની સાથે સુખડનું લાકડું અને ઝવેરાત પણ લાવ્યા હતા. શલોમોને એ સુખડનું લાકડું મંદિરના તેમજ પોતાના રાજમહેલના દાદર બનાવવા તથા સંગીતકારો માટે વીણા તથા સિતાર બનાવવા વાપર્યું હતું. યહૂદિયામાં અગાઉ એના જેવી વસ્તુઓ કદી કોઈએ જોઈ નહોતી. શલોમોન રાજાએ શેબાની રાણીને તેણે જે જે માગ્યું તે બધું આપ્યું. એ તો રાણીએ તેને જે ભેટો આપી તેનાથી ક્યાંયે વિશેષ હતું. પછી તે પોતાના રસાલા સાથે પોતાના દેશમાં પાછી ફરી. શલોમોન રાજાને પ્રતિવર્ષે ત્રેવીસ હજાર કિલોગ્રામ સોનું મળતું. એ તો સોદાગરો અને વેપારીઓ તરફથી જક્તમાં મળતા સોના ઉપરાંતનું હતું. વળી, અરબસ્તાનના રાજાઓ અને ઇઝરાયલના પ્રાંતિક રાજવીઓ પણ તેની પાસે સોનુંચાંદી લાવતા. શલોમોને સોનાની બસો મોટી ઢાલો બનાવડાવી; પ્રત્યેક ઢાલમાં સાતેક કિલો સોનું વપરાયું હતું. તેણે સોનાની ત્રણસો નાની ઢાલ પણ બનાવડાવી હતી; એમાંની પ્રત્યેક ઢાલમાં ત્રણેક કિલો સોનું વપરાયું હતું. તેણે એ બધી ઢાલો લબાનોનના વનખંડમાં મૂકાવી હતી. રાજાએ મોટું સિંહાસન પણ બનાવડાવ્યું હતું. એનો કેટલોક ભાગ હાથીદાંતથી મઢેલો હતો, જ્યારે બાકીનો ચોખ્ખા સોનાથી મઢેલો હતો. સિંહાસન પર ચઢવા છ પગથિયાં હતાં અને તેની સાથે સોનાથી મઢેલું પાયાસન પણ હતું. સિંહાસનની બન્‍ને બાજુ હાથા હતા અને પ્રત્યેક બાજુ પર સિંહાકૃતિ હતી. પગથિયે બન્‍ને સિંહની એકએક આકૃતિ એમ દરેક પગથિયે બન્‍ને તરફ સિંહની એક એક આકૃતિ એમ પગથિયાં પર બાર સિંહોની આકૃતિ હતી. બીજા કોઈ રાજ્યમાં એવું સિંહાસન નહોતું. શલોમોન રાજાના બધા પ્યાલા અને લબાનોનના વનખંડમાંની બધી ચીજવસ્તુઓ ચોખ્ખા સોનાની હતી. શલોમોનના સમયમાં ચાંદી તો કંઈ વિસાતમાં જ નહોતી. સમુદ્રની મુસાફરી માટે હિરામ રાજાના નૌકા કાફલા સાથે શલોમોનનો પણ નૌકા કાફલો હતો. દર ત્રણ વર્ષે આ નૌકા કાફલો તાર્શિશથી સોનું, ચાંદી, હાથદાંત, વાંદરા અને મોર લઈ પાછો ફરતો. દુનિયાના કોઈપણ રાજવી કરતાં શલોમોન ધનવાન અને જ્ઞાની હતો. તેઓ સૌ તેનું ઈશ્વરદત્ત જ્ઞાન સાંભળવા તેને મળવા આવતા. પ્રત્યેક રાજા શલોમોન માટે સોનાચાંદીનાં પાત્રો, ઝભ્ભા, શસ્ત્રો, અત્તરો, ઘોડાઓ અને ખચ્ચર જેવી ભેટો લાવતો. વર્ષોવર્ષ એમ બનતું. શલોમોન રાજા પાસે રથો અને ઘોડાઓ માટે ચાર હજાર તબેલા અને ઘોડેસ્વારો હતા. તેણે તેમાંના કેટલાક યરુશાલેમમાં અને બાકીના રથ-નગરોમાં રાખ્યા. યુફ્રેટિસ નદીથી છેક પલિસ્તીઓના દેશ અને ઇજિપ્તની સરહદ સુધીના સર્વ પ્રદેશ પર તે સર્વોચ્ચ રાજા હતો. તેના અમલ દરમ્યાન યરુશાલેમમાં ચાંદી પથ્થરના જેટલી સસ્તી અને ગંધતરુનું લાકડું નીચાણના પ્રદેશના ગુલ્લરના લાકડા બરાબર થઈ પડયું હતું. શલોમોન મૂસરી અને બીજા બધા દેશોમાંથી ઘોડાની આયાત કરતો. શલોમોનનો શરૂઆતથી અંત લગીનો બાકીનો ઇતિહાસ નાથાન સંદેશવાહકના ઇતિહાસમાં, શીલોના અહિયાના ભવિષ્યલેખમાં અને ઇઝરાયલના રાજા નબાટના પુત્ર યરોબઆમ અંગેના સંદેશવાહક ઈદ્દોના સંદર્શનલેખમાં આપેલો છે. શલોમોને આખા ઇઝરાયલ પર યરુશાલેમમાંથી ચાલીસ વર્ષ રાજ કર્યું. તે મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવવામાં આવ્યો, અને તેની જગાએ તેનો પુત્ર રહાબામ રાજા બન્યો. રહાબામ શખેમ ગયો; કારણ, ત્યાં સર્વ ઇઝરાયલીઓ તેને રાજા ઠરાવવા એકત્ર થયા હતા. શલોમોન રાજા પાસેથી નાસી છૂટીને ઇજિપ્ત જતો રહેલો નબાટનો પુત્ર યરોબામ એ સમાચાર સાંભળી ઘેર પાછો ફર્યો. કારણ, ઉત્તરનાં કુળોના લોકોએ તેને સંદેશ મોકલીને બોલાવી લીધો હતો. તેઓ યરોબામને સાથે લઈને રહાબામ પાસે ગયા અને તેને કહ્યું, “તમારા પિતાએ અમારા પર લાદેલી રાજસેવા ભારે ઝૂંસરી સમાન હતી. તમારા પિતાએ લાદેલી વેઠ અને એ ઝૂંસરીનો બોજ તમે હળવો કરશો તો અમે તમારી નિષ્ઠાપૂર્વક સેવા કરીશું.” રહાબામે જવાબ આપ્યો, “તમે ત્રણ દિવસ પછી આવજો.” તેથી લોકો ત્યાંથી વિદાય થયા. રહાબામે પોતાના પિતા શલોમોનના વડીલ સલાહકારો સાથે પરામર્શ કર્યો. તેણે પૂછયું, “આ લોકોને મારે શું જવાબ આપવો? એ વિષે તમારી શી સલાહ છે?” તેમણે ઉત્તર આપ્યો, “તમે આ લોકો પ્રત્યે માયાળુ બનશો, અને તેમને સહાનુભૂતિપૂર્વક જવાબ આપી તેમને પ્રસન્‍ન કરશો તો તેઓ વફાદારીપૂર્વક તમારી સેવા કરશે.” પણ તેણે વડીલ સલાહકારોની સલાહ ગણકારી નહિ; એને બદલે, તેની સાથે ઉછરેલા અને હવે તેના સલાહકાર બનેલા જુવાનો પાસે તે ગયો. તેણે પૂછયું, “તમે શી સલાહ આપો છો? પોતાનો બોજ હળવો કરવા લોકો વિનંતી કરે છે તો મારે તેમને શું કહેવું?” તેમણે જવાબ આપ્યો, “તમે તેમને આમ કહેજો: ‘મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.’ તેમને કહેજો, ‘મારા પિતાએ તમારા પર ભારે બોજ નાખ્યો, તો હું એ બોજ એથીય ભારે કરીશ. તે તેમને કોરડાથી શિક્ષા કરતા હતા, તો હું તમને ઘોડાના ચાબુકથી શિક્ષા કરીશ!’ ” રહાબામ રાજાની સૂચના પ્રમાણે યરોબામ અને સર્વ લોકો ત્રણ દિવસ પછી તેની પાસે આવ્યા. રાજાએ વડીલોની સલાહની અવગણના કરીને જુવાનોની સલાહ પ્રમાણે લોકો સાથે કડકાઈથી વાત કરી. તેણે કહ્યું, “મારા પિતાએ તમારા પર ભારે બોજ નાખ્યો હતો, તો હું એ બોજ એથી ય ભારે કરીશ. તે તમને કોરડાથી શિક્ષા કરતા હતા તો હું તમને ઘોડાના ચાબુકથી શિક્ષા કરીશ!” શીલોના દષ્ટા એલિયા મારફતે નબાટના પુત્ર યરોબામને પ્રભુ પરમેશ્વરે જે કહ્યું હતું તે પૂરું થાય તે માટે એ પ્રભુની ઇચ્છા હતી. તેથી રાજાએ લોકોનું સાંભળ્યું નહિ. લોકોએ જોયું કે રાજા તેમનું સાંભળતો નથી ત્યારે તેમણે પોકાર કર્યો: “દાવિદ સાથે અમારે શો સંબંધ છે? યિશાઈના વંશજ સાથે અમારો શો લાગભાગ છે? હે ઇઝરાયલીઓ, સૌ પોતપોતાને ઘેર જાઓ! દાવિદ, તું તારું ઘર સંભાળી લે.” એમ ઇઝરાયલના લોકોએ બળવો પોકાર્યો અને પોતાને ઘેર ચાલ્યા ગયા. રહાબામ માત્ર યહૂદિયા પ્રાંતના લોકોનો રાજા રહ્યો. પછી રહાબામ રાજાએ વેઠિયાઓ પર દેખરેખ રાખનાર હદોરામને ઇઝરાયલીઓ પાસે મોકલ્યો, પણ તેમણે તેને પથ્થરે મારી નાખ્યો. તેથી રહાબામ પોતાના રથમાં ચઢી જઈને ઉતાવળે યરુશાલેમ આવતો રહ્યો. તે સમયથી આજ સુધી ઉત્તરના ઇઝરાયલના રાજ્યના લોકો દાવિદના રાજવંશની વિરુદ્ધમાં જ રહ્યા છે. રહાબામ યરુશાલેમ પાછો આવ્યો એટલે તેણે બિન્યામીન અને યહૂદાના કુળમાંથી એક લાખ એંશી હજાર ચુનંદા સૈનિકો એકત્ર કર્યા. તેનો ઈરાદો ચડાઈ કરીને ઇઝરાયલનાં ઉત્તરનાં કુળો પર પાછો અંકુશ મેળવવાનો હતો. પણ પ્રભુએ શમાયા સંદેશવાહક દ્વારા રહાબામ રાજા અને યહૂદા તથા બિન્યામીનના કુળના સર્વ લોકોને આ સંદેશો મોકલ્યો: *** “તમારા ઇઝરાયલી ભાઈઓ પર આક્રમણ કરશો નહિ. તમે સૌ ઘેર જાઓ. એ બધું મારી ઇચ્છા પ્રમાણે થયું છે.” તેઓ પ્રભુની આજ્ઞા માનીને યરોબામ સામે લડવા ગયા નહિ. રહાબામ યરુશાલેમમાં જ રહ્યો અને યહૂદિયા તથા બિન્યામીનનાં આટલાં નગરોને કિલ્લેબંધી કરાવી: બેથલેહેમ, એથાન, તકોઆ, બેથ-શૂર, સોકો, અદુલ્લામ, ગાથ, મારેશા, ઝીફ, અદોરાઈમ, લાખીશ, અઝેકા, સોરા, આયાલોન અને હેબ્રોન. તેણે તે નગરોની મજબૂત કિલ્લેબંધી કરી અને દરેક નગરમાં લશ્કરી અધિકારી નીમ્યો. તેણે દરેક નગરમાં ખોરાક, ઓલિવ-તેલ, દ્રાક્ષાસવ, ઢાલો અને ભાલાઓનો પુરવઠો રાખ્યો. આમ, યહૂદિયા અને બિન્યામીન તેના તાબામાં રહ્યા. ઇઝરાયલના બધા પ્રદેશમાંથી યજ્ઞકારો અને લેવીઓએ રહાબામ પાસે યહૂદિયામાં આવીને આશરો લીધો. લેવીઓ તેમનાં ગૌચરો અને બીજી જમીનો છોડી દઈ યહૂદિયા અને યરુશાલેમમાં આવ્યા. કારણ, ઇઝરાયલનો રાજા યરોબામ અને તેના રાજવારસો તેમને પ્રભુના યજ્ઞકારો તરીકે સેવા કરવા દેતા નહોતા. યરોબામે પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં સેવા કરવા અને પોતે ઘડાવેલી બકરા અને બળદની મૂર્તિઓની પૂજા કરવા પોતાના આગવા યજ્ઞકારો નીમ્યા. ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી જે લોકો ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પ્રત્યે નિષ્ઠાવાન હતા તેઓ પણ લેવીઓની સાથે યરુશાલેમ આવતા રહ્યા; કે જેથી તેઓ તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુને અર્પણો ચઢાવી શકે. એનાથી યહૂદિયાનું રાજ્ય સંગીન બન્યું અને ત્રણ વર્ષ સુધી તેઓ શલોમોનના પુત્ર રહાબામની પડખે રહ્યા અને દાવિદ રાજા અને શલોમોન રાજાના અમલમાં જેમ તેઓ રહેતા તેમ રહ્યા. રહાબામે માહાલાથ સાથે લગ્ન કર્યું. માહાલાથનો પિતા યરીમોથ દાવિદનો પુત્ર હતો અને તેની માતા અબિહાઈલ એલિયાબની પુત્રી અને યશાઈની પૌત્રી હતી. તેમને ત્રણ પુત્રો હતા; યેશૂ, શમાર્યા, અને માહામ. પાછળથી તેણે આબ્શાલોમની પુત્રી માખા સાથે લગ્ન કર્યુ અને તેમને ચાર પુત્રો હતા. અબિયા, આત્તાઈ, ઝીઝા અને શલોમીથ. રહાબામને બધી મળીને અઢાર પત્નીઓ અને સાઠ ઉપપત્નીઓ હતી અને તે અઠ્ઠાવીસ પુત્રોનો અને સાઠ પુત્રીઓનો પિતા હતો. પોતાની સર્વ પત્નીઓ અને ઉપપત્નીઓ પૈકી તે આબ્શાલોમની પુત્રી માખાને સૌથી વધુ ચાહતો હતો. અને તેના પુત્ર અબિયાને પોતાના પછી રાજા થવાને પસંદ કરીને બીજાં સંતાનોમાં તેને પાટવી કુંવર તરીકે સ્વીકાર્યો. રહાબામે પોતાના પુત્રોને બુદ્ધિપૂર્વક જવાબદારી સોંપી અને તેમને યહૂદિયા અને બિન્યામીનના કિલ્લેબંધીવાળાં નગરો પર મૂક્યા. તેણે તેમને ઉદારતાથી સંપત્તિ આપી અને તેમને માટે ઘણી પત્નીઓ લીધી. રાજા તરીકેની પોતાની સત્તા સંગીન થતાં રહાબામે અને તેના સર્વ લોકોએ પ્રભુના નિયમનો ત્યાગ કર્યો. રહાબામના અમલના પાંચમા વર્ષમાં તેમને પ્રભુ પ્રત્યેની બેવફાઈને લીધે શિક્ષા કરવામાં આવી. ઇજિપ્તના રાજા શીશાકે યરુશાલેમ પર ચઢાઈ કરી. તેના સૈન્યમાં બારસો રથો, સાઠ હજાર ઘોડેસવારો અને અગણ્ય સૈનિકો, તેમજ લૂબીઓ, સુક્કાઈઓ અને કૂશીઓની ટુકડીઓ હતાં. તેણે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરો કબજે કર્યાં અને છેક યરુશાલેમ આવી પહોંચ્યો. રહાબામ અને યહૂદિયાના આગેવાનો શીશાકથી બચવા યરુશાલેમમાં એકત્ર થયા. સંદેશવાહક શમાયા તેમની પાસે ગયો. તેણે તેમને કહ્યું, “પ્રભુ તરફથી તમારે માટે આ સંદેશો છે: ‘તમે મારો ત્યાગ કર્યો છે તેથી હું પણ તમને શીશાકના હાથમાં સોંપી દઉં છું.” રાજાએ અને ઇઝરાયલી આગેવાનોએ દીનભાવે કબૂલ્યું કે તેમણે પાપ કર્યું છે. તેમણે કહ્યું, “પ્રભુ પોતાનાં સર્વ કાર્યોમાં ન્યાયી છે.” તેઓ દીન બની ગયા છે એ જોઈને પ્રભુએ ફરીથી શમાયાને સંદેશો આપ્યો, “તેમણે દીનભાવે પોતાના પાપનો એકરાર કર્યો હોઈ હું તેમનો વિનાશ નહિ કરું પણ શીશાક હુમલો કરશે ત્યારે તેઓ માંડમાંડ બચી જશે અને હું યરુશાલેમ પર મારો પૂરો કોપ નહિ ઉતારું, પણ શીશાક તેમને જીતી લેશે, અને મારી સેવા કરવામાં અને પૃથ્વીના રાજાઓની સેવા કરવામાં શું તફાવત છે તેની તેમને ખબર પડશે.” શીશાક રાજા યરુશાલેમ આવીને પ્રભુના મંદિરના અને રાજમહેલના ભંડારો લૂંટી ગયો. શલોમોન રાજાએ બનાવડાવેલી સોનાની ઢાલો સહિત તે બધું લઈ ગયો. રહાબામે એને બદલે તાંબાની ઢાલો બનાવડાવી અને રાજમહેલના દ્વારપાળોના અધિકારીઓને સોંપી. રાજા જ્યારે જ્યારે પ્રભુના મંદિરમાં જતો ત્યારે દ્વારપાળો ઢાલ ધારણ કરતા અને તે પછી સંરક્ષકોની ઓરડીમાં જમા કરાવતા. તે પ્રભુની આગળ નમ્ર થઈ ગયો તેથી પ્રભુના કોપથી તેનો પૂરો નાશ થયો નહિ, અને યહૂદિયામાં પણ સમૃદ્ધિ જળવાઈ રહી. રહાબામે યરુશાલેમમાં રહીને રાજ કર્યું અને રાજા તરીકે પોતાની સત્તા જમાવી. તે એક્તાળીસ વર્ષની વયે રાજા થયો અને યરુશાલેમ, જેને ઈશ્વર યાહવેએ આખા ઇઝરાયલ દેશમાંથી પોતાના નામની ભક્તિ માટે પસંદ કર્યું હતું તેમાં રહીને સત્તર વર્ષ રાજ કર્યું. રહાબામની માતા નામાહ આમ્મોન દેશની હતી. તેણે ભૂંડું કર્યું, કારણ, તેણે પ્રભુની સલાહ શોધવામાં પોતાનું ચિત્ત પરોવ્યું નહિ. રહાબામનાં પહેલેથી છેલ્લે સુધીનાં કાર્યો અને તેના કુટુંબની વિગતો સંદેશવાહક શમાયાના ઇતિહાસમાં અને દષ્ટા ઇદ્દોના ઇતિહાસમાં આપેલાં છે. રહાબામ અને યરોબામ વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હતો. રહાબામ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં રાજવી કબરમાં પોતાના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો. તેની જગાએ તેના પછી તેનો પુત્ર અબિયા રાજા થયો. ઇઝરાયલના રાજા યરોબામના અમલના અઢારમે વર્ષે અબિયા યહૂદિયાનો રાજા થયો, અને તેણે યરુશાલેમમાં ત્રણ વર્ષ રાજ્ય કર્યું. તેની માતા ગિબ્યા નગરના ઉરિયેલની પુત્રી મિખાયા હતી. અબિયા અને યરોબામ વચ્ચે લડાઈ ફાટી નીકળી. અબિયાએ ચાર લાખ ચુનંદા શૂરવીર સૈનિકોનું સૈન્ય ઉતાર્યું હતું અને યરોબામે આઠ લાખ ચુનંદા શૂરવીર સૈનિકોથી તેનો સામનો કર્યો. એફ્રાઈમના પહાડીપ્રદેશમાં સૈન્યો સામસામે આવ્યાં. અબિયા રાજાએ સમારાઈમ પર્વત પર ચઢી જઈ યરોબામ અને ઇઝરાયલીઓને પડકાર કર્યો. તેણે કહ્યું, “મારું સાંભળો. ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ દાવિદ અને તેના વંશજોને ઇઝરાયલ પર સદા રાજ કરવા દેવા અંગે લૂણનો અતૂટ કરાર કર્યો છે એ શું તમે નથી જાણતા? છતાં દાવિદના પુત્ર શલોમોન સામે શલોમોનના જ એક સેનાધિકારી એટલે નબાટના પુત્ર યરોબામે તેના માલિક સામે વિદ્રોહ કર્યો છે. તે પછી કેટલાક અધમ બંડખોરોનું જૂથ ઊભું કરીને તે શલોમોનના પુત્ર રહાબામની સામે પડીને પ્રબળ થયો; કારણ, રહાબામ જુવાન અને બિનઅનુભવી હોવાથી તેનો સામનો કરી શકે તેમ નહોતો. હવે તમે પ્રભુના રાજ્ય સામે એટલે તેમણે દાવિદના વંશજોને આપેલી રાજસત્તા સામે લડવા માગો છો? તમારી પાસે મોટું સૈન્ય છે અને યરોબામે તમારા દેવ થવા બનાવેલ સોનાના વાછરડા લાવ્યા છો. તમે આરોનના વંશજો, પ્રભુના યજ્ઞકારોને હાંકી કાઢયા અને લેવીઓને પણ હાંકી કાઢયા. તેમની જગ્યાએ તમે અન્ય પ્રજાઓ કરે છે તેમ યજ્ઞકારો નીમ્યા છે; એક વાછરડો અને સાત ઘેટાં લાવીને પોતાનું સમર્પણ કરે તેવા કોઈને પણ તમે તમારા કહેવાતા દેવોનો યજ્ઞકાર નીમો છો.” “પણ અમે તો હજી પણ અમારા ઈશ્વર પ્રભુની સેવા કરીએ છીએ અને તેમનો ત્યાગ કર્યો નથી. આરોનના વંશજો યજ્ઞકાર તરીકે પોતાની ફરજ બજાવે છે અને લેવીઓ તેમને સહાય કરે છે. દરરોજ સવારસાંજ તેમને સુવાસિત ધૂપ ચડાવાય છે અને પૂર્ણ દહનબલિ થાય છે. પવિત્ર મેજ પર તેઓ અર્પિત રોટલી પણ ગોઠવે છે. રોજ સાંજે તેઓ સોનાની દીવીઓ પરના દીવા પેટાવે છે. અમે તો અમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ, પણ તમે તેમનો ત્યાગ કર્યો છે. ઈશ્વર પોતે અમારા આગેવાન છે અને તેમના યજ્ઞકારો તમારી સામેની લડાઈમાં રણભેરી વગાડવા તેમનાં રણશિંગડાં લઈને અહીં અમારી સાથે છે. હે ઇઝરાયલીઓ, તમે તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુની સામે લડશો નહિ! તમે જીતી શકવાના નથી.” દરમ્યાનમાં યરોબામે તેની કેટલીક ટુકડીઓને યહૂદિયાના સૈન્યને પાછળથી છાપો મારવા મોકલી હતી, જ્યારે બાકીનું સૈન્ય સામેથી ગોઠવ્યું હતું. યહૂદિયાના માણસોએ જોયું કે તેઓ ચારે બાજુથી ઘેરાઈ ગયા છે. તેમણે મદદ માટે પ્રભુને પોકાર કર્યો, અને યજ્ઞકારોએ રણશિંગડાં વગાડયાં. યહૂદિયાના માણસોએ મોટો પોકાર કર્યો અને ઈશ્વરે અબિયા અને યહૂદિયાના સૈન્ય સામે યરોબામ અને ઇઝરાયલી સૈન્યનો પરાભવ કર્યો. ઇઝરાયલીઓ યહૂદિયાના માણસોથી ભાગ્યા અને ઈશ્વરે યહૂદિયાના માણસોને તેમના પર વિજય પમાડયો. અબિયા અને તેના સૈન્યે ઇઝરાયલીઓનો ભારે સંહાર કર્યો. ઇઝરાયલના પાંચ લાખ ચુનંદા સૈનિકો માર્યા ગયા. અને એમ યહૂદિયાના લોકો ઇઝરાયલ પર વિજય પામ્યા, કારણ, તેમણે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુ પર આધાર રાખ્યો હતો. અબિયાએ યરોબામના સૈન્યનો પીછો કર્યો અને તેનાં કેટલાંક નગરો એટલે બેથેલ, યશાના અને એફ્રોન અને એ નગર નજીકનાં ગામો કબજે કર્યાં. અબિયાના અમલ દરમ્યાન યરોબામ ફરીથી પ્રબળ થઈ શક્યો નહિ. છેવટે પ્રભુનો માર્યો તે મરી ગયો. પણ અબિયા તો વધુ ને વધુ સત્તાશાળી થયો. તેને ચૌદ પત્નીઓ હતી. તે બાવીસ પુત્રો અને સોળ પુત્રીઓનો પિતા હતો. અબિયાનો બાકીનો ઇતિહાસ, એટલે તેનાં કાર્યો અને વચનો ઈદ્દો સંદેશવાહકના ઇતિહાસમાં લખેલાં છે. અબિયા રાજા મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવ્યો. તેનો પુત્ર આસા તેના પછી રાજા થયો, અને આસાના રાજ્ય અમલમાં દેશે દશ વર્ષ શાંતિ ભોગવી. આસાએ તેના ઈશ્વર પ્રભુની દૃષ્ટિમાં જે સારું અને સાચું છે તે કર્યું. તેણે પારકી વેદીઓ અને પૂજાનાં ઉચ્ચસ્થાનો દૂર કર્યાં, પવિત્ર શિલાસ્તંભ તોડી નાખ્યો અને અશેરા દેવીનાં પ્રતીકો કાપી નાખ્યાં. તેણે યહૂદિયાના લોકોને તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની જ આરાધના કરવા અને તેમના શિક્ષણ અને આદેશને આધીન થવા આજ્ઞા કરી. તેણે યહૂદિયાનાં બધાં શહેરોમાંથી વિધર્મી ભજનસ્થાનો અને ધૂપવેદીઓનો નાશ કર્યો તેથી તેના અમલ દરમ્યાન રાજ્યમાં શાંતિ રહી. એ સમય દરમ્યાન તેણે યહૂદિયાનાં નગરોને કિલ્લા બાંયા અને ઘણા વર્ષો સુધી કોઈ યુદ્ધ ખેલાયું નહિ, કારણ, પ્રભુએ તેને શાંતિ આપી હતી. તેણે યહૂદિયાના લોકોને કહ્યું, “ચાલો, આપણે દીવાલો, બુરજ અને ભાગળોવાળા દરવાજા બનાવી નગરોને કિલ્લેબંધીવાળાં બનાવીએ. આપણે આપણા ઈશ્વર પ્રભુની સેવાભક્તિ કરતા હોઈ દેશ પર આપણું નિયંત્રણ છે. તેમણે આપણું રક્ષણ કરીને ચારે બાજુ સલામતી બક્ષી છે.” એમ તેઓએ બાંધકામ કર્યું અને આબાદ થયા. આસા રાજા પાસે ભાલા અને ઢાલ ધારણ કરતા યહૂદિયાના ત્રણ લાખ પુરુષો અને ભાલા ધનુષ્ય ધારણ કરતા બિન્યામીનના બે લાખ એંસી હજાર પુરુષોનું સૈન્ય હતું. તેઓ સૌ શૂરવીર અને તાલીમબદ્ધ યોદ્ધાઓ હતા. ઝેરા નામના કૂશીએ દસ લાખ સૈનિકો અને ત્રણસો રથોના સૈન્ય સાથે યહૂદિયા પર આક્રમણ કર્યું અને છેક મારેશા સુધી આવી પહોંચ્યો. આસા તેની સામે લડવા ગયો અને મારેશા નજીક સાફથાના ખીણપ્રદેશમાં બન્‍ને તરફનાં સૈન્ય ગોઠવાયાં. આસાએ તેના ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, માત્ર તમે જ બળવાન સામે નિર્બળને સહાય કરનાર છો. તેથી હે યાહવે, અમારા ઈશ્વર, હવે અમારી સહાય કરો. કારણ, અમે તમારા પર આધાર રાખીએ છીએ, અને અમે તમારે નામે આ મોટા સૈન્ય સામે લડવા આવ્યા છીએ. પ્રભુ, તમે અમારા ઈશ્વર છો; તમારી સામે કોઈ પ્રબળ થઈ શકે નહિ.” આસા અને યહૂદિયાના લશ્કરે હુમલો કર્યો એટલે પ્રભુએ કૂશી સૈન્યને હરાવ્યું. તેઓ ભાગી છૂટયા, અને આસા તથા તેનાં લશ્કરી દળોએ છેક ગેરાર સુધી તેમનો પીછો કર્યો. એટલા બધા કૂશીઓ માર્યા ગયા કે તેમનામાંથી એકેય બચ્યો નહિ. પ્રભુ અને તેમનાં દળોએ તેમના પર પૂરી જીત મેળવી. યહૂદિયાના સૈન્યે મોટી લૂંટ મેળવી. પછી તેમણે ગેરારની આસપાસનાં નગરોનો નાશ કર્યો, કારણ, લોકો પ્રભુથી ભયભીત થઈ ગયા હતા. સૈન્યે એ બધાં નગરોનો કચ્ચરઘાણ વાળ્યો અને મોટી લૂંટ મેળવી. તેમણે કેટલાક ઘેટાંપાળકોની છાવણીઓ પર હુમલો કરી મોટી સંખ્યામાં ઘેટાં અને ઊંટો લઈ લીધાં. પછી તેઓ યરુશાલેમ પાછા ફર્યા. ઓદેદના પુત્ર અઝાર્યા પર ઈશ્વરનો આત્મા આવ્યો. એટલે તે આસા રાજાને મળવા ગયો. તેણે કહ્યું, “હે રાજા આસા અને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ લોકો, મારું સાંભળો! તમે જ્યાં સુધી પ્રભુના પક્ષમાં છો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. તમે તેમને શોધશો, તો તે તમને મળશે. પણ જો તમે વિમુખ થશો, તો તે તમારો ત્યાગ કરશે. લાંબા સમય સુધી ઇઝરાયલ સાચા ઈશ્વરથી, તેમને શિક્ષણ આપનાર યજ્ઞકારોથી અને નિયમશાસ્ત્રથી વંચિત રહ્યા હતા. પણ જ્યારે આફત આવી ત્યારે તેઓ ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તરફ ફર્યા. તેમણે તેમને શોયા અને તે તેમને મળ્યા. એ દિવસોમાં કોઈ સલામતીપૂર્વક અવરજવર કરી શકતું નહિ, કારણ, પ્રત્યેક દેશમાં આંતરિક વિગ્રહ અને ગેરવ્યવસ્થા હતાં. એક દેશ બીજા દેશ પર અને એક નગર બીજા નગર પર જુલમ કરતાં હતાં, કારણ, પ્રભુ તેમના પર જાતજાતની આફત લાવતા હતા. પણ તમે દૃઢ અને હિંમતવાન થાઓ! તમને તમારાં કાર્યોનું પ્રતિફળ મળશે.” ઓદેદના પુત્ર અઝાર્યાનો સંદેશ સાંભળીને આસાને પ્રોત્સાહન મળ્યું. તેણે યહૂદિયામાંથી, બિન્યામીનમાંથી અને એફ્રાઈમના પહાડી પ્રદેશનાં નગરોમાંથી કબજે કરેલી સઘળી મૂર્તિઓ દૂર કરી. વળી, તેણે પ્રભુના મંદિરના ચોક આગળની પ્રભુની વેદી સમરાવી. એફ્રાઈમ, મનાશ્શા, અને શિમયોન કુળના ઘણા લોકો આસાના પક્ષમાં આવી ગયા હતા અને તેના રાજ્યમાં રહેતા હતા, કારણ, તેમણે જોયું કે તેના ઈશ્વર પ્રભુ તેની સાથે છે. આસાએ તેમને અને યહૂદિયા તથા બિન્યામીનના લોકોને બોલાવડાવ્યા. આસાના અમલના પંદરમા વર્ષના ત્રીજા મહિનામાં તેઓ યરુશાલેમમાં એકત્ર થયા. તે દિવસે તેમણે લૂંટમાંથી લાવેલા સાતસો બળદો અને સાત હજાર ઘેટાંનું બલિદાન આપ્યું. તેમણે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુની પૂરા દિલ અને મનથી ભક્તિ કરવાનો કરાર કર્યો. તેમની ભક્તિ ન કરે તે પછી જુવાન હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, તેને મારી નાખવાનો હતો. તેઓ કરાર પાળશે એ મતલબના સમ પ્રભુને નામે મોટે સાદે લીધા. પછી તેમણે પોકાર કરીને રણશિંગડાં વગાડયાં. પૂરા દયથી એ કરાર કરવાને લીધે યહૂદિયાના સર્વ લોકો ખુશખુશાલ હતા. તેમણે પ્રભુની ભક્તિ કરવામાં આનંદ માણ્યો અને પ્રભુએ તેમનો સ્વીકાર કર્યો અને ચારે તરફથી સહીસલામતી બક્ષી. આસા રાજાએ પોતાની મા માખાને રાજમાતાની પદવી પરથી દૂર કરી. કારણ, તેણે અશેરા દેવીની ઘૃણાસ્પદ મૂર્તિ બનાવી હતી. આસાએ એ મૂર્તિ કાપી નાખી. તેનો ભૂક્કો કરી નાખ્યો અને એ ભૂક્કો કિદ્રોનની ખીણમાં બાળી નાખ્યો. જો કે આસાએ દેશમાં પૂજાનાં તમામ ઉચ્ચસ્થાનો દૂર કર્યાં નહોતાં, પણ જીવનભર તેણે પ્રભુ પ્રત્યે દયની પૂરી નિષ્ઠા દાખવી. તેના પિતા અબિયાએ સમર્પિત કરેલી સર્વ વસ્તુઓ અને પોતે સમર્પિત કરેલી સોનાચાંદીની બધી વસ્તુઓ તેણે પ્રભુના મંદિરમાં મૂકી. તેના અમલના પાંત્રીસમા વર્ષ સુધી બીજી એકેય લડાઈ થઈ નહિ. યહૂદિયાના રાજા આસાના અમલના છત્રીસમા વર્ષે ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા પર આક્રમણ કર્યું અને યહૂદિયામાંથી બહાર અવરજવરનો સઘળો વ્યવહાર કાપી નાખવા માટે તે રામા નગરને કિલ્લેબંધી કરવા લાગ્યો. તેથી રાજાએ પ્રભુના મંદિરમાંથી અને રાજમહેલના ભંડારમાંથી સોનુંચાંદી લઈને તે દમાસ્ક્સમાં અરામના રાજા બેનહદાદ પર આ સંદેશ સાથે મોકલ્યાં. “આપણે આપણા પિતાઓની જેમ મિત્ર રાજ્યો તરીકે સંબંધ બાંધીએ. આ સોનુંચાંદી તમને ભેટ તરીકે મોકલ્યાં: છે. તો હવે ઇઝરાયલના રાજા બાશા સાથેનો સંબંધ કાપી નાખો કે જેથી તે મારા પ્રદેશમાંથી પોતાનાં દળો પાછાં ખેંચી લે.” બેનહદાદે આસાની દરખાસ્ત માન્ય રાખી અને પોતાના લશ્કરી અધિકારીઓ અને સૈન્યને ઇઝરાયલનાં નગરો પર આક્રમણ કરવા મોકલ્યા. તેમણે આયોન, દાન, આબેલ-બેથ-માખા અને પુરવઠા સંગ્રહ માટેનાં નાફતાલીનાં બધાં નગરો કબજે કર્યાં. એ સાંભળીને બાશાએ રામાને કિલ્લેબંધી કરવાનું કામ અટકાવી દઈ પડતું મૂકાયું. પછી આસા રાજાએ સમસ્ત યહૂદિયામાંથી માણસો એકત્ર કર્યા અને બાશા રામામાં બાંધકામમાં વાપરતો હતો તે પથ્થરો અને ઈમારતી લાકડાં લઈ જવા હુકમ કર્યો. તેનો ઉપયોગ તેમણે ગેબા અને મિસ્પા નગરોને કિલ્લેબંધી કરવામાં કર્યો. એ સમયે સંદેશવાહક હનાનીએ આસા રાજા પાસે જઈને તેને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુ પર આધાર રાખવાને બદલે તમે અરામના રાજા પર આધાર રાખ્યો છે. તેથી ઇઝરાયલનું સૈન્ય તમારા હાથમાંથી છટકી ગયું છે. કૂશીઓ અને લૂબીઓનાં સૈન્યો રથો અને ઘોડેસવારો સહિત ઘણાં મોટાં નહોતાં? પણ તમે ત્યારે પ્રભુ પર આધાર રાખ્યો હતો, તેથી તેમણે તમને તેમના પર વિજય અપાવ્યો હતો. પ્રભુની દૃષ્ટિ સમસ્ત દુનિયાનું નિરીક્ષણ કરે છે, કે જેથી જેમનાં હૃદય તેમના પ્રત્યે પૂરાં નિષ્ઠાવાન છે તેમને તે સમર્થ બનાવી સહાય કરે છે. તમે મૂર્ખાઈ કરી છે અને તેથી હવેથી તમારે હમેશાં લડાઈ રહેશે.” એનાથી સંદેશવાહક પર આસાને એટલો ક્રોધ ચઢયો કે તેણે તેને સાંકળોમાં કેદ પૂર્યો. એ જ સમયે આસાએ કેટલાક લોકો પર અસહ્ય જુલમ વર્તાવ્યો. આસાના અમલના પહેલેથી છેલ્લે સુધીના બનાવો યહૂદિયા અને ઇઝરાયલના ઇતિહાસમાં લખેલા છે. આસાને તેના અમલના ઓગણચાલીસમા વર્ષે પગનું આસાય દરદ થયું; ત્યારે પણ સહાય માટે પ્રભુ તરફ ન વળતાં તે વૈદો પાસે ગયો. બે વર્ષ પછી તે મૃત્યુ પામ્યો. દાવિદનગરમાં તેણે પોતાના માટે ખડકમાં ખોદાવેલી કબરમાં તેને દફનાવવામાં આવ્યો. તેમણે તેના મૃતદેહને દફન માટે અત્તરો અને સુગંધી તેલો લગાડયાં અને તેના મરણનો શોક પાળવા મોટું દહન કર્યું. યહોશાફાટ તેના પિતા આસાની જગાએ રાજા થયો, અને તેણે ઇઝરાયલની વિરુદ્ધ પોતાની સત્તા સંગીન બનાવી. તેણે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરોમાં, યહૂદિયાના ગ્રામ્ય વિસ્તારોમાં અને એફ્રાઈમના પ્રદેશમાં તેના પિતાએ જીતેલાં નગરોમાં લશ્કરી દળો ગોઠવ્યાં. પ્રભુએ યહોશાફાટને આશીર્વાદ આપ્યો, કારણ, તે તેના પિતાના શરૂઆતના જીવનને અનુસર્યો અને બઆલની મૂર્તિઓની ભક્તિ કરી નહિ. તેણે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રત્યે નિષ્ઠા દાખવી. વળી, ઇઝરાયલી રાજાઓનું અનુસરણ નહિ કરતાં તે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે વર્ત્યો. પ્રભુએ યહોશાફાટને યહૂદિયાના રાજ્ય પર પૂરો અંકુશ આપ્યો અને સઘળા લોકો તેને માટે ભેટસોગાદો લાવતા, જેથી તે સમૃદ્ધ અને ખૂબ જ સન્માનનીય બન્યો. પ્રભુની સેવા કરવામાં તેણે ભારે ઉત્સાહ દાખવ્યો અને તેણે યહૂદિયામાંથી પૂજાનાં સર્વ ઉચ્ચસ્થાનો અને અશેરા દેવીનાં પ્રતીકોનો સમૂળગો નાશ કર્યો. તેથી પોતાના અમલને ત્રીજે વર્ષે તેણે યહૂદિયાનાં નગરોમાં શિક્ષણ આપવા માટે બેનહાઈલ, ઓબાદ્યા, ઝખાર્યા, નાથાનાએલ અને મીખાયા અધિકારીઓને મોકલ્યા. તેમની સાથે શમાયા, નથાન્યા, ઝબાદ્યા, અસાહેલ, શમીરામોથ, યહોનાથાન, અદોનિયા, ટોબિયા અને ટોબ અદોનિયા એ નવ લેવીઓ તથા એલિશામા અને યહોરામ એ બે યજ્ઞકારો હતા. તેઓ પ્રભુના નિયમશાસ્ત્રનું પુસ્તક લઈને યહૂદિયાનાં બધાં નગરોમાં ગયા અને લોકોને શિક્ષણ આપ્યું. આથી યહૂદિયાની આસપાસનાં સર્વ રાજ્યો પ્રભુથી ડરવા લાગ્યાં અને તેમણે યહોશાફાટ સામે લડાઈ કરવાની હિંમત કરી નહિ. કેટલાક પલિસ્તીઓ યહોશાફાટ પાસે મોટા પ્રમાણમાં ચાંદી અને બીજી ભેટો લાવ્યા, તો કેટલાક આરબો તેને માટે સાત હજાર સાતસો ઘેટાં અને સાત હજાર સાતસો બકરા લાવ્યા. આમ, યહોશાફાટ વધારે ને વધારે બળવાન થતો ગયો. સમસ્ત યહૂદિયામાં તેણે કિલ્લાઓ અને નગરો બાંધ્યાં; ત્યાં વિપુલ જથ્થામાં પુરવઠો રાખવામાં આવતો. યરુશાલેમમાં તેણે ગોત્ર પ્રમાણે શૂરવીર સેનાધિકારીઓ રાખ્યા. યહૂદાના ગોત્રનો અધિપતિ આદના હતો અને તેની હેઠળ ત્રણ લાખ શૂરવીર સૈનિકો હતા. બીજા સ્થાને યહોહાનાન હતો અને તેના નિયંત્રણ હેઠળ બે લાખ એંસી હજાર સૈનિકો હતા. ત્રીજા સ્થાને ઝીખ્રીનો પુત્ર અમાસ્યા હતો અને તેના નિયંત્રણ હેઠળ બે લાખ સૈનિકો હતા. (અમાસ્યાએ પ્રભુની સેવા કરવાનું સ્વેચ્છાએ સ્વીકાર્યું હતું). બિન્યામીનના ગોત્રનો અધિપતિ એલ્યાદા શ્રેષ્ઠ સૈનિક હતો અને તેના હસ્તક ઢાલ અને ધનુષ્ય ધારણ કરતા બે લાખ પુરુષો હતા. તેના પછીના સ્થાને યહોઝાબાદ હતો અને તેની હસ્તક યુદ્ધ માટે સુસજ્જ થયેલા એક લાખ એંસી હજાર પુરુષો હતા. આ માણસો યરુશાલેમમાં રાજાની સેવા કરતા. એ સર્વ ઉપરાંત તેણે યહૂદિયાનાં કિલ્લેબંધીવાળાં નગરોમાં બીજા સૈનિકો રાખ્યા હતા. યહોશાફાટ રાજા ખૂબ સમૃદ્ધ અને ખ્યાતનામ બન્યો ત્યારે તેણે આહાબ રાજાના કુટુંબ સાથે લગ્નસંબંધ બાંધ્યો. કેટલાંક વર્ષો પછી યહોશાફાટ આહાબની મુલાકાતે સમરૂન ગયો. યહોશાફાટ અને તેની સાથેના માણસોના માનમાં મિજબાની યોજી અને તે માટે આહાબે પુષ્કળ ઘેટાં અને બળદો કપાવ્યાં હતાં. આહાબે ગિલ્યાદમાંના રામોથ પર આક્રમણ કરવા યહોશાફાટને સમજાવ્યો. તેણે પૂછયું, “તમે મારી સાથે ગિલ્યાદમાંના રામોથ પર ચડાઈ કરવા આવશો?” યહોશાફાટે જવાબ આપ્યો, “આપણે બે કંઈ જુદા નથી અને મારા લોકો તે તમારા લોકો જ છે. અમે તમારી સાથે જોડાઈશું.” વળી, યહોશાફાટે ઇઝરાયલના રાજા આહાબને કહ્યું, “પણ આપણે પ્રથમ પ્રભુની સલાહ પૂછીએ.” તેથી આહાબે ચારસો સંદેશવાહકો બોલાવ્યા અને તેમને પૂછયું, “શું હું ગિલ્યાદમાંના રામોથ પર ચડાઈ કરું?” તેમણે કહ્યું, “જાઓ, ચડાઈ કરો; ઈશ્વર તમને તેના પર વિજય પમાડશે.” પણ યહોશાફાટે કહ્યું, “પ્રભુનો બીજો કોઈ સંદેશવાહક નથી કે જેના દ્વારા આપણે તેમની સલાહ પૂછી શકીએ?” આહાબે જવાબ આપ્યો, “હજુ એક છે. તે છે યિમ્લાનો પુત્ર મિખાયા. પણ હું તેને ધિક્કારું છું; કારણ, તે મારે વિષે ક્યારેય કશું સારું ભવિષ્ય ભાખતો નથી; તે હમેશાં માઠું ભવિષ્ય જ ભાખે છે.” યહોશાફાટે કહ્યું, “તમારે રાજા થઈને એવું બોલવું ન જોઈએ.” તેથી આહાબે દરબારના એક અધિકારીને યિમ્લાના પુત્ર મિખાયાને તરત જ બોલાવી લાવવા જણાવ્યું. બન્‍ને રાજાઓ તેમના રાજપોશાકમાં સજ્જ થઈ સમરૂનના દરવાજા આગળ ખળાના મેદાન પર પોતાનાં આસનો પર બેઠા હતા અને બધા સંદેશવાહકો તેમની આગળ ભવિષ્ય ભાખતા હતા. તેમાંના કનાનના પુત્ર સિદકિયાએ લોખંડનાં શિંગ બનાવ્યાં હતાં. તેણે આહાબને કહ્યું, “આ શિંગો વડે આપ અરામીઓ સામે લડીને તેમનો સંપૂર્ણ પરાજય કરશો.” બાકીના બીજા સંદેશવાહકોએ પણ એવું જ કહ્યું. તેમણે કહ્યું, “ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરો; તમે જીતવાના છો. પ્રભુ તમને વિજય આપશે.” દરમ્યાનમાં, મિખાયાને બોલાવવા ગયેલા અધિકારીએ તેને કહ્યું, “બધા સંદેશવાહકોએ રાજા માટે સફળતાનું ભવિષ્ય ભાખ્યું છે; તમે પણ એવું ભવિષ્ય ભાખો તો સારું.” પણ મિખાયાએ જવાબ આપ્યો, “પ્રભુના જીવના સમ, હું તો ઈશ્વર મને કહેશે તે જ બોલીશ.” મિખાયા આહાબ રાજા સમક્ષ હાજર થયો એટલે તેણે તેને પૂછયું, “મિખાયા, હું અને યહોશાફાટ રાજા ગિલ્યાદમાંના રામોથ પર ચડાઈ કરીએ?” મિખાયાએ જવાબ આપ્યો, “ભલે, જાઓ ચડાઈ કરો અને વિજય પામો. પ્રભુ તમને તે સ્વાધીન કરી દેશે.” પણ આહાબે જવાબ આપ્યો, “તમે પ્રભુને નામે મને કહો છો ત્યારે તમારે સત્ય જ બોલવું જોઈએ એવું મારે તમને કેટલીવાર સોગંદ દઈને કહેવાનું હોય?” મિખાયાએ કહ્યું, “હું ઇઝરાયલના સૈન્યને ઘેટાંપાળક વગરનાં ઘેટાંની જેમ પર્વત પર વિખેરાઈ ગયેલું જોઉં છું. પ્રભુ કહે છે: ‘આ લોકોનો કોઈ આગેવાન નથી. તેઓ સૌ પોતપોતાને ઘેર શાંતિથી પાછા જાય.” આહાબે યહોશાફાટને કહ્યું, “મેં તમને કહ્યું હતું ને કે તે મારા વિષે કદી સારું નહિ, પણ માઠું જ ભવિષ્ય ભાખે છે!” વળી, મિખાયાએ કહ્યું, “તો હવે પ્રભુનો સંદેશ સાંભળો! મેં પ્રભુને આકાશમાં તેમના રાજ્યાસન પર બેઠેલા જોયા; તેમને બન્‍ને હાથે દૂતોનું સૈન્ય તેમની સેવામાં ઊભું હતું. પ્રભુએ પૂછયું, ‘આહાબ રામોથ જઈને માર્યો જાય તે માટે તેને કોણ છેતરશે?’ કેટલાક દૂતોએ આ પ્રકારનાં તો બીજા કેટલાક દૂતોએ બીજાં પ્રકારનાં સૂચનો કર્યાં. છેવટે એક આત્માએ પ્રભુ પાસે આગળ આવીને કહ્યું, ‘હું તેને છેતરીશ.’ પ્રભુએ પૂછયું, ‘કેવી રીતે?’ “આત્માએ કહ્યું, ‘હું જઈને આહાબના બધા સંદેશવાહકોને જૂઠું બોલતા કરી દઈશ.’ પ્રભુએ કહ્યું, ‘જા, જઈને તેને છેતર. તું ફતેહ પામીશ.’ ” મિખાયાએ કહ્યું, “આમ, તમારા આ સંદેશવાહકો જૂઠું બોલે એવું પ્રભુએ કહ્યું છે; અલબત્ત, તેમણે તો તમારા પર આપત્તિ ઉતારવાનો નિર્ણય જાહેર કર્યો છે.” ત્યારે સિદકિયા સંદેશવાહકે મિખાયા પાસે જઈને તેને ગાલ પર તમાચો મારી તેને પૂછયું, “પ્રભુનો આત્મા મારી પાસેથી તારી પાસે વાત કરવા ક્યારે આવી ગયો?” મિખાયાએ જવાબ આપ્યો, “તારે ભીતરની ઓરડીની અંદર સંતાઈ જવું પડશે ત્યારે તને ખબર પડશે.” ત્યારે આહાબે તેના એક અધિકારીને હુકમ કર્યો, “મિખાયાને પકડી લઈ તેને નગરના સૂબા આમોન અને રાજકુંવર યોઆશ પાસે લઈ જાઓ. તેમને કહો કે રાજાએ મિખાયાને કેદમાં પૂરી દેવાનો હુકમ કર્યો છે અને હું સહીસલામત પાછો આવું ત્યાં સુધી તેને માત્ર સૂકી રોટલી અને પાણી પર રાખજો.” મિખાયાએ કહ્યું, “તમે સહીસલામત પાછા ફરો તો સમજવું કે પ્રભુ મારા દ્વારા બોલ્યા નથી.” તેણે સૌને કહ્યું, “હું જે બોલ્યો છું તે ધ્યાનમાં લો.” પછી ઇઝરાયલના રાજા આહાબ અને યહૂદિયાના રાજા યહોશાફાટ ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરવા ગયા. આહાબે યહોશાફાટને કહ્યું, “લડાઈમાં જતી વખતે હું વેશપલટો કરીશ, પણ તમે રાજપોશાક પહેરી રાખજો.” એમ ઇઝરાયલનો રાજા લડાઈમાં છુપા વેશે ગયો. અરામના રાજાએ તેના રથદળના સેનાધિકારીઓને ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈના પર હુમલો ન કરવા હુકમ કર્યો હતો. તેથી તેમણે યહોશાફાટ રાજાને જોયો ત્યારે તેમને લાગ્યું કે ઇઝરાયલનો રાજા છે અને તેથી તેના પર ત્રાટકવા વળ્યા. પણ યહોશાફાટે પોકાર કર્યો એટલે પ્રભુ પરમેશ્વરે તેને બચાવ્યો અને તેમણે તેના પરથી હુમલો બીજે વાળી દીધો. રથદળના અધિકારીઓએ જોયું કે એ ઇઝરાયલનો રાજા નથી; તેથી તેમણે તેનો પીછો કરવાનું મૂકી દીધું. પણ અરામના એક સૈનિકે અનાયાસે મારેલું એક બાણ આહાબ રાજાને તેના કવચના સાંધાઓની વચચમાં થઈને વાગ્યું. તેણે પોતાના સારથિને હાંક મારીને કહ્યું, “હું ઘવાયો છું. રથ પાછો વાળી મને લડાઈમાંથી બહાર લઈ જા.” આખો દિવસ ભીષણ યુદ્ધ મચ્યું. આહાબ રાજાને અરામના સૈન્ય તરફ મુખ રાખી તેના રથમાં ટેકો આપી ટટ્ટાર બેસાડી રાખ્યો. સૂર્યાસ્ત સમયે તે મૃત્યુ પામ્યો. યહૂદિયાનો રાજા યહોશાફાટ યરુશાલેમમાં પોતાના રાજમહેલમાં સહીસલામત આવ્યો. હનાનીના પુત્ર દષ્ટા યેહૂએ રાજાને મળીને તેને કહ્યું, “તમારે શા માટે દુષ્ટોને મદદ કરવી જોઈએ? પ્રભુનો તિરસ્કાર કરનારાઓનો પક્ષ શા માટે લેવો જોઈએ? તમારા એ કાર્યથી તમારા પર પ્રભુનો રોષ ઊતર્યો છે. તેમ છતાં તમારામાં કંઈક સારું છે. તમે દેશમાંથી અશેરા દેવીની બધી મૂર્તિઓ દૂર કરી છે અને ઈશ્વરની નિષ્ઠાપૂર્વક સેવાભક્તિ કરવામાં તમારું ચિત્ત પરોવ્યું છે.” યહોશાફાટ આમ તો યરુશાલેમમાં રહેતો હતો, પણ દક્ષિણમાં બેરશેબાથી માંડીને ઉત્તરમાં એફ્રાઈમના પહાડી પ્રદેશના છેડા સુધી સમસ્ત વિસ્તારમાં નિયમિત પ્રવાસ કરીને તેણે લોકોને તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુ તરફ વાળ્યા. તેણે યહૂદિયાનાં બધાં કિલ્લેબંધીવાળાં નગરોમાં ન્યાયાધીશો નીમ્યા. તેણે તેમને સૂચના આપી. “ન્યાયચુકાદો આપવામાં કાળજી રાખો. તમે માણસ તરફથી નહિ, પણ પ્રભુ તરફથી મળેલા અધિકારની રુએ ચુકાદા આપો છો ત્યારે એ કાર્યમાં પ્રભુ તમારી સાથે છે. પ્રભુનો ભય રાખો અને ચોક્સાઈથી વર્તો, કારણ, આપણા ઈશ્વર પ્રભુ અન્યાય, પક્ષપાત કે લાંચરુશવત સાંખી લેતા નથી.” વળી, યહોશાફાટે યરુશાલેમમાં પ્રભુના નિયમશાસ્ત્રના ઉલ્લંઘનના કેસોના અથવા નગરવાસીઓમાં અરસપરસના કાયદાકીય વિવાદોના નિકાલ અર્થે કેટલાક લેવીઓ, યજ્ઞકારો અને કુટુંબના વડાઓને નીમ્યા. તેણે તેમને આવો આદેશ આપ્યો: “તમારાં સર્વ કામોમાં પ્રભુનો ડર રાખીને તમારી સર્વ ફરજો નિષ્ઠા અને સચ્ચાઈથી બજાવો. તમારા દેશબાંધવો કોઈપણ નગરમાંથી ખૂનનો અથવા નિયમો, આજ્ઞાઓ કે ફરમાનોનો ભંગ કર્યાનો કેસ લઈ આવે ત્યારે કેસની કાર્યવાહીમાં પ્રભુની વિરુદ્ધ કોઈ દોષ વહોરી ન લે તે માટે તેમને પૂરી સ્પષ્ટતાથી શીખવો; નહિ તો તમે અને તમારા દેશબધુંઓ પ્રભુના કોપનો ભોગ બનશો. પણ તમે તમારી ફરજ બજાવી હશે, તો તમે દોષિત નહિ ઠરો. બધા ધાર્મિક કેસોમાં મુખ્ય યજ્ઞકાર અમાર્યાનો નિર્ણય આખરી ગણાશે; જ્યારે રાજ્યને લગતા બધા કેસોમાં યહૂદિયાના સૂબા એટલે, ઝબાદ્યાના પુત્ર ઇશ્માએલનો નિર્ણય આખરી ગણાશે. લેવીઓની જવાબદારી ચુકાદાઓનો અમલ કરવાની રહેશે. તો હવે આ કામ હિમ્મતથી બજાવો; અને પ્રભુ સાચા લોકના પક્ષમાં રહો.” કેટલાક સમય બાદ મોઆબ અને આમ્મોનનાં સૈન્યો મેઉનીઓનો સાથ લઈને યહોશાફાટ સામે લડવા આવ્યા. કેટલાક સંદેશકોએ યહોશાફાટ રાજા પાસે આવીને તેને કહ્યું, “મૃત સમુદ્રને પેલી પાર અદોમમાંથી મોટું સૈન્ય તમારા પર ત્રાટકવા આવી રહ્યું છે. તેમણે હાસ્સોન તામાર એટલે એનગેદી કબજે કરી લીધું છે.” યહોશાફાટ ગભરાયો અને તેણે મદદને માટે પ્રભુને પ્રાર્થના કરી. પછી તેણે સમસ્ત દેશમાં ઉપવાસ જાહેર કર્યો. યહૂદિયાનાં સર્વ નગરોમાંથી લોકો પ્રભુની મદદ મેળવવા યરુશાલેમમાં આવી પહોંચ્યા. તેઓ તેમ જ યરુશાલેમના નગરજનો પ્રભુના મંદિરના નવા ચોકમાં એકઠા થયા. યહોશાફાટ રાજાએ ત્યાં લોકોની સભામાં ઊભા થઈને ઊંચે અવાજે પ્રાર્થના કરી. “ઓ અમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ, તમે તો આકાશવાસી ઈશ્વર છો અને પૃથ્વીની સર્વ પ્રજાઓનાં રાજ્યો પર રાજ કરો છો. તમે પરાક્રમી અને શક્તિશાળી છો અને કોઈ તમારી સામે પડી શકે નહિ. તમે અમારા ઈશ્વર છો. તમારા લોક ઇઝરાયલીઓ આ દેશમાં આવ્યા ત્યારે અહીંના સઘળા મૂળ વતનીઓને હાંકી કાઢયા, અને તમારા મિત્ર અબ્રાહામના વંશજોને હંમેશને માટે આ દેશ આપ્યો. તેઓ અહીં આવીને વસ્યા છે અને તેમણે તમારા નામના માનમાં મંદિર બાંધ્યું છે; જેથી તેમના પર શિક્ષા તરીકે લડાઈ, રોગચાળો કે દુકાળ જેવી કોઈ આફત આવી પડે ત્યારે તેઓ તમે જ્યાં તમારું નામ રાખ્યું છે તે આ મંદિરે આવીને ઊભા રહે અને તેઓ મુશ્કેલીમાં તમારી પ્રાર્થના કરે કે જેથી તમે તેમનું સાંભળીને તેમનો બચાવ કરો. “હવે આમ્મોની, મોઆબી અને સેઈરના અદોમી લોકોએ અમારા પર આક્રમણ કર્યું છે. અમારા પૂર્વજો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તમે તેમને તેમના દેશમાં થઈને જવા દીધા નહિ. તેથી અમારા પૂર્વજો ચકરાવો ખાઈને ગયા અને તેમનો નાશ કર્યો નહિ. હવે તેઓ અમને આવો બદલો આપે છે. તમે વારસા તરીકે આપેલા આ દેશમાંથી તેઓ અમને હાંકી કાઢવા માગે છે! હે પ્રભુ, તમે અમારા ઈશ્વર છો! તેમને શિક્ષા કરો, કારણ, અમારી પર આક્રમણ લઈ આવેલ આ સૈન્ય સામે અમે સાવ લાચાર છીએ. શું કરવું એની અમને કંઈ સૂઝ પડતી નથી, પણ મદદ માટે અમે તમારી તરફ મીટ માંડીએ છીએ.” યહૂદિયાના સર્વ પુરુષો તેમની પત્નીઓ અને તેમનાં સંતાનો સહિત પ્રભુના મંદિરે ઊભા હતા. એ સમુદાયમાં એક લેવી પર પ્રભુનો આત્મા આવ્યો. એ તો ઝખાર્યાનો પુત્ર યહઝિયેલ હતો. તે આસાફના ગોત્રનો હતો અને તેના પૂર્વજોમાં તેના દાદા બનાયા, બનાયાનો પિતા યેઈલ અને યેઈલનો પિતા માનાન્યા હતા. યહઝિયેલે કહ્યું, “હે યહોશાફાટ રાજા તથા યહૂદિયા અને યરુશાલેમના લોકો, પ્રભુ કહે છે કે આ મોટા સૈન્યથી તમારે બીવાની કે નાસીપાસ થવાની જરૂર નથી. એ લડાઈ તમારે નહિ, પણ ઈશ્વરે લડવાની છે. આવતી કાલે તેઓ સીસના ઘાટ પાસે આવે એટલે તેમના પર હુમલો કરો. યરુએલ નજીકના વેરાન પ્રદેશમાં જતી ખીણના છેડે તમને તેમનો ભેટો થશે. તમારે આ લડાઈ લડવી પડશે નહિ; માટે હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમે અડીખમ રહેજો, અને પ્રભુ તમને કેવો વિજય પમાડે છે તે જો જો. નાસીપાસ થશો નહિ કે ગભરાશો નહિ; પણ લડાઈ કરવા નીકળી પડો; કારણ, પ્રભુ તમારી સાથે છે.” ત્યારે યહોશાફાટ રાજાએ ભૂમિ પર શિર ટેકવીને નમન કર્યું અને યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકોએ પણ એ રીતે નમન કરી પ્રભુની આરાધના કરી. કહાથ અને કોરાહ ગોત્રના લેવીઓએ ઊભા થઈને ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિનો પોકાર કર્યો. બીજે દિવસે સવારે લોકો તકોઆ પાસેના વેરાનપ્રદેશમાં પહોંચી ગયા. તેઓ ત્યાં જવા નીકળ્યા, ત્યારે યહોશાફાટે તેમને આવું સંબોધન કર્યું: “હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમારા ઈશ્વર પ્રભુ પર ભરોસો મૂકો એટલે તમે અડીખમ રહેશો. તેમના સંદેશવાહકો જે કહે તે પર વિશ્વાસ મૂકો એટલે તમે દૃઢ થશો.” લોકો સાથે મસલત કર્યા પછી રાજાએ કેટલાક ભજનિકોને નીમ્યા અને તેમને પવિત્ર વસ્ત્રો પહેરીને “પ્રભુની સ્તુતિ થાઓ! તેમની કૃપા સનાતન છે!” એમ ગાતાં ગાતાં સૈન્યની મોખરે કૂચ કરવા આદેશ આપ્યો. તેમણે સ્તુતિગાન ગાયું કે પ્રભુએ આક્રમણ કરવા આવેલા આમ્મોની, મોઆબી અને સેઈરના અદોમી લોકોના સૈન્યને ભુલાવામાં નાખીને તેમનો પરાજય કર્યો. આમ્મોનીઓ અને મોઆબીઓએ અદોમીના સૈન્ય પર ત્રાટકી તેનો સંપૂર્ણ વિનાશ કર્યો, અને પછી તેઓ એકબીજાની સામે ઉગ્ર જંગ ખેલીને ખતમ થયા. વેરાનપ્રદેશમાં આવેલા ચોકીના બુરજ નજીક યહૂદિયાનું સૈન્ય પહોંચ્યું તો તેમણે શત્રુઓને જમીન પર ચારે તરફ મરેલા પડેલા જોયા, તેમાંનો એકેય બચ્યો નહોતો. યહોશાફાટ અને તેનું સૈન્ય લૂંટ મેળવવા આગળ ગયું તો તેમને ઘણાં ઢોરઢાંક, પુરવઠો, વસ્ત્રો અને અન્ય કીમતી ચીજવસ્તુઓ મળ્યાં. લૂંટ એકત્ર કરતાં તેમને ત્રણ દિવસ લાગ્યા, પણ લૂંટ એટલી બધી હતી કે તેઓ બધું લઈ જઈ શક્યા નહિ. ચોથે દિવસે તેઓ બરાખાની ખીણમાં એકઠા થયા અને પ્રભુના એ કાર્ય માટે તેમની સ્તુતિ કરી. એટલા માટે એ ખીણ આજ દિન સુધી ‘બરાખા’ (અર્થાત્ આશીર્વાદ)ની ખીણ કહેવાય છે. પછી યહોશાફાટની આગેવાની હેઠળ યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકો વિજયના આનંદમાં યરુશાલેમ પાછા ફર્યા. કારણ, પ્રભુએ તેમના શત્રુઓનો પરાજય કરીને તેમને હર્ષ પમાડયો હતો. તેઓ સિતાર, વીણા અને રણશિંગડાંના વાદન સાથે યરુશાલેમ આવ્યા અને પ્રભુના મંદિરે ગયા. પ્રભુએ ઇઝરાયલના શત્રુઓનો કેવો પરાજય કર્યો હતો એ સાંભળીને બધી પ્રજાઓમાં ભય વ્યાપી ગયો. આમ, યહોશાફાટે શાંતિપૂર્વક રાજ કર્યું અને પ્રભુએ તેને ચારે તરફની સલામતી બક્ષી. યહોશાફાટ પાંત્રીસ વર્ષની વયે યહૂદિયાનો રાજા બન્યો અને યરુશાલેમમાં રહી પચીસ વર્ષ રાજ કર્યું. શિલ્હીની પુત્રી અઝુબા તેની માતા હતી. તેના પિતા આસાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. પણ પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કરાયો નહોતો. હજી પણ લોકોમાં તેમના પૂર્વજોના ઈશ્વર પ્રત્યે દયની પૂરી નિષ્ઠા નહોતી. યહોશાફાટના અમલની શરૂઆતથી તેના અંત સુધીનાં તેનાં બાકીનાં કૃત્યો હનાનીના પુત્ર યેહૂના ઇતિહાસમાં લખેલાં છે; જેનો સમાવેશ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં કરેલો છે. એક સમયે યહોશાફાટ રાજાએ ઇઝરાયલના દુરાચારી રાજા અહાઝયા સાથે રાજસંબંધો બાંયા હતા. તાર્શિશ જવા માટે તેઓ એસ્યોન-ગેબેરના બંદરે સમુદ્રનાં વહાણો બાંધતાં હતા. પણ મારેશા નગરના દોદાવાહૂના પુત્ર એલિએઝેરે યહોશાફાટને ચેતવણી આપી; “આપે અહાઝયા સાથે સંબંધ બાંધ્યો હોઈ તમે જે કંઈ બાંધ્યું તેનો પ્રભુ નાશ કરશે.” એ વહાણો ભાંગી ગયાં અને કયારેય તાર્શિશ જઈ શક્યાં નહિ. યહોશાફાટ રાજા મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર યહોરામ રાજા બન્યો. યહૂદિયાના રાજા યહોશાફાટના પુત્ર યહોરામને છ ભાઈઓ હતા: અઝાર્યા, યહિયેલ, ઝખાર્યા, અઝાર્યાહૂ, મિખાયેલ અને શફાટયા. તેમના પિતાએ પ્રત્યેક ભાઈને પુષ્કળ સોનું, ચાંદી અને અન્ય કીમતી ચીજવસ્તુઓની બક્ષિસો આપી અને દરેકને યહૂદિયાના કિલ્લાવાળાં એક એક નગર પર નીમ્યો. પણ યહોરામ જયેષ્ઠ હોવાથી યહોશાફાટે તેને રાજગાદી સોંપી. રાજ્ય પર યહોરામની સત્તા જામી એટલે તેણે પોતાના સર્વ ભાઈઓ અને કેટલાક ઇઝરાયલી અધિકારીઓને પણ મારી નંખાવ્યા. યહોરામ બત્રીસ વર્ષની ઉંમરે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું. તે ઇઝરાયલના રાજાઓને અનુસર્યો અને આહાબ રાજાના કુટુંબીજનોની જેમ વર્ત્યો. કારણ, તેણે આહાબની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. તેણે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું, પણ પ્રભુ દાવિદનો રાજવંશ ખતમ કરી નાખવા રાજી નહોતા. કારણ, તેમણે દાવિદ સાથે કરાર કર્યો હતો કે, “હું તારા વંશમાં રાજવારસરૂપી દીવો સતત સળગતો રાખીશ.” યહોરામના અમલ દરમ્યાન અદોમે યહૂદિયા સામે બળવો પોકારીને પોતાનો આગવો રાજા ઠરાવ્યો. તેથી યહોરામ અને તેના સેનાધિકારીઓએ રથો સહિત અદોમ પર આક્રમણ કર્યું. અદોમીઓએ તેમને ઘેરી લીધા, પણ તેઓ રાત્રે ભંગાણ પાડી નાસી છૂટયા. આમ, અદોમે યહૂદિયાની તાબેદારી ફગાવી દીધી અને ત્યારથી અદોમ સ્વતંત્ર રાજ્ય રહ્યું છે. એ જ સમયે લિબ્નાહ નગરે પણ બંડ કર્યું. કારણ, યહોરામે, પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો હતો. વળી, તેણે યહૂદિયાના ઉચ્ચપ્રદેશમાં પૂજાનાં ઉચ્ચસ્થાનો પણ બાંધ્યાં અને એમ યહૂદિયા અને યરુશાલેમના લોકોને મૂર્તિપૂજા કરાવીને તેમને પ્રભુથી દૂર ભટકાવી દીધા. સંદેશવાહક એલિયાએ યહોરામને પાઠવેલા પત્રમાં આમ લખ્યું હતું: “તમારા પૂર્વજ દાવિદના ઈશ્વર પ્રભુ તમને દોષિત ઠરાવે છે; કારણ, તમે તમારા પિતા યહોશાફાટ રાજા અથવા તમારા દાદા આસાનો નમૂનો અનુસર્યા નથી. એને બદલે, તમે ઇઝરાયલના રાજાઓનું અનુકરણ કર્યું છે અને આહાબ તથા તેના અનુગામીઓએ ઇઝરાયલના લોકોને ઈશ્વર પ્રત્યે બેવફા બનાવ્યા, તેમ તમે પણ યહૂદિયા અને યરુશાલેમના લોકોને ઈશ્વર વિરુદ્ધ બેવફાદારીમાં દોર્યા છે. તમે તમારા કરતાં સારા એવા તમારા પિતૃપક્ષના ભાઈઓને મારી નાખ્યા છે. પરિણામે, પ્રભુ તમારા લોકને, તમારાં સંતાનોને અને તમારી પત્નીઓને ભારે સજા કરશે અને તમારી બધી માલમિલક્તનો નાશ કરશે. તમને આંતરડાંનો અસાય રોગ લાગુ પડશે. એ રોગ વધી જતાં છેવટે તમારાં આંતરડાં બહાર નીકળી પડશે.” સમુદ્રકિનારે વસેલા કેટલાક કૂશીઓની નજીક કેટલાક પલિસ્તીઓ અને આરબો પણ રહેતા હતા. પ્રભુએ તેમને યહોરામ વિરુદ્ધ લડવા જવા ઉશ્કેર્યા. તેમણે યહૂદિયા પર હુમલો કર્યો, રાજમહેલ લૂંટયો અને રાજાની બધી પત્નીઓને અને સૌથી નાના પુત્ર અહાઝયા સિવાયના બધા પુત્રોને કેદ કરી લઈ ગયા. એ બનાવો પછી પ્રભુએ રાજાને આંતરડાનો ભારે દુ:ખદાયક રોગ લાગુ પાડયો. લગભગ બે વર્ષ સુધી એ રોગ ઉગ્ર બનતો રહ્યો; રાજાના આંતરડાં બહાર નીકળી પડયાં તેના લોકે તેના પૂર્વજોના સંબંધમાં જેમ કર્યું હતું તેમ તેને માટે શોકદર્શક અગ્નિ પ્રગટાવ્યો નહિ. યહોરામ બત્રીસ વર્ષની વયે રાજા થયો અને તેણે યરુશાલેમમાં આઠ વર્ષ રાજ કર્યું. તેના મરણ પર કોઈએ શોક પાળ્યો નહિ. તેમણે તેને દાવિદનગરમાં દફનાવ્યો, પણ રાજવી કબરમાં નહિ. કેટલાક આરબોની દોરવણી હેઠળ થયેલા હુમલામાં યહોરામ રાજાના સૌથી નાના પુત્ર અહાઝયા સિવાય અન્ય બધા વડા પુત્રો છાવણીમાં માર્યા ગયા હતા. તેથી યહોરામ પછી તેનો પુત્ર અહાઝયા યહૂદિયાનો રાજા બન્યો. અહાઝયા બાવીસ વર્ષની વયે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. અહાઝયાએ પણ આહાબ રાજાના કુટુંબનું અનુકરણ કર્યું; કારણ, તેની માતા અથાલ્યા આહાબ રાજાની પુત્રી અને ઇઝરાયલના રાજા ઓમ્રીની પૌત્રી હતી અને તે અહાઝયાને દુષ્ટ સલાહ આપતી. *** આહાબના રાજકુટુંબને અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું, કારણ, તેના પિતાના મરણ બાદ આહાબ રાજાના કુટુંબના બીજા સભ્યો પણ તેના સલાહકારો હતા અને એને લીધે તેનું પતન થયું. તેમની સલાહ માનીને તે ઇઝરાયલના રાજા યોરામના પક્ષે અરામના રાજા હઝાએલની સામે યુદ્ધમાં ગયો. ગિલ્યાદમાંના રામોથ આગળ સૈન્યો ટકરાયાં અને એ લડાઈમાં યોરામ ઘવાયો. પોતાને પડેલા ઘામાંથી સાજો થવા તે યિઝએલ નગરમાં પાછો ફર્યો અને અહાઝયા ત્યાં તેની મુલાકાતે ગયો. અહાઝયાએ લીધેલી યોરામની એ મુલાકાતનો ઈશ્વરે અહાઝયાની પાયમાલી અર્થે ઉપયોગ કર્યો. તે ત્યાં હતો ત્યારે તેને અને યોરામને નિમ્શીના પુત્ર યેહૂનો ભેટો થઈ ગયો. પ્રભુએ તેને આહાબના રાજવંશનો ઉચ્છેદ કરવા પસંદ કર્યો હતો. યેહૂ આહાબના રાજવંશ પરની ઈશ્વરની સજાનો અમલ કરી રહ્યો હતો ત્યારે અહાઝયાની મુલાકાત વખતે તેની સાથે આવેલ યહૂદિયાના આગેવાનો અને અહાઝયાના ભત્રીજાઓનો ભેટો થઈ ગયો. યેહૂએ એ સૌને મારી નાખ્યા. યેહૂના માણસોએ અહાઝયાની શોધ ચલાવી તો તે સમરુનમાં સંતાયેલો પકડાયો. તેઓ તેને યેહૂ પાસે લઈ ગયા અને તેને મારી નાખ્યો, પણ પ્રભુ પ્રત્યે અંતરની સાચી નિષ્ઠા દાખવનાર તેના દાદા યહોશાફાટ પ્રત્યેના સન્માનને લીધે તેમણે તેને દફનાવ્યો. હવે અહાઝયાના કુટુંબમાં કોઈ રાજ કરનાર રહ્યું નહિ. પોતાનો પુત્ર માર્યો ગયો છે એવું સાંભળતાં જ અહાઝયા રાજાની માતા અથાલ્યાએ યહૂદિયાના સર્વ રાજકુંવરોનો નાશ કરવા હુકમ આપ્યો. પણ યહોરામની પુત્રી યહોશેબા અહાઝયાની સાવકીબહેન હતી. તેનાં લગ્ન યહોયાદા યજ્ઞકાર સાથે થયાં હતાં. તેણે ગુપ્ત રીતે અહાઝયાના એક પુત્ર યોઆશને બચાવી લીધો. માર્યા જનારા રાજકુમારો પાસેથી તેને લઈ જઈને તેણે તેને તથા તેની ધાવને મંદિરના શયનખંડમાં સંતાડી દીધાં અને અથાલ્યાને હાથે માર્યો જતો બચાવી લીધો. પછી અથાલ્યા રાજ કરતી હતી ત્યાં સુધી યોઆશને પોતાની સાથે પ્રભુના મંદિરમાં છ વર્ષ સુધી સંતાડી રાખ્યો. સાતમે વર્ષે યહોયાદા યજ્ઞકારે હિંમતભેર જરૂરી પગલાં ભર્યાં. તેણે યહોરામનો પુત્ર અઝાર્યા, યહોહાનાનનો પુત્ર ઇશ્માએલ, ઓબેદનો પુત્ર અઝાર્યા, અદાયાનો પુત્ર માસેયા અને ઝીખ્રીનો પુત્ર એલિશાફાટ, એ પાંચ અધિકારીઓ સાથે કોલકરાર કર્યા. એ બધા સૈન્યમાં શતાધિપતિઓ હતા. તેણે યહૂદિયાનાં બધાં નગરોમાં ફરીને લેવીઓ અને ગોત્રના બધા આગેવાનોને યરુશાલેમમાં એકત્ર કર્યા. તેઓ સૌ મદિરમાં એકઠા થયા અને રાજાના પુત્ર યોઆશ સાથે કરાર કર્યો. યહોયાદાએ કહ્યું, “આ રહ્યો રાજાનો પુત્ર!” દાવિદના વંશજો રાજા બનશે એવા પ્રભુના વરદાન પ્રમાણે હવે તે રાજા બનશે. હવે આપણે આ પ્રમાણે કરવાનું છે. યજ્ઞકારો અને લેવીઓ સાબ્બાથદિને સેવાકાર્ય માટે આવે ત્યારે તમારે ત્રણ સરખી ટુકડીઓ પાડવાની છે: એક ટુકડી મંદિરના દરવાજે ચોકી પહેરો ભરશે, બીજી ટુકડી રાજમહેલનું રક્ષણ કરશે, જ્યારે ત્રીજી ટુકડી ‘પાયાના દરવાજે’ રહેશે. સર્વ લોકો પ્રભુના મંદિરના ચોકમાં એકત્ર થશે. ફરજ પરના લેવીઓ અને યજ્ઞકારો વિધિગત રીતે પવિત્ર થયેલા છે; તેથી તેમના સિવાય બીજા કોઈને મંદિરમાં પ્રવેશ કરવા દેવાનો નથી. બાકીના લોકો તો પ્રભુની સૂચના પ્રમાણે બહાર રહે. લેવીઓએ ઉઘાડી તલવારો સાથે રાજાની આસપાસ રક્ષક બનીને રાજા જ્યાં જાય ત્યાં તેમની સાથે રહેવાનું છે. જે કોઈ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે તેને મારી નાખવો.” લેવીઓ ને યહૂદિયાના લોકોએ યહોયાદાની સૂચનાઓનું પાલન કર્યું. ફરજ પરથી બદલતા માણસોને જવા દેવામાં આવતા નહિ. તેથી સાબ્બાથદિને ફરજ પર ચઢતા કે ઊતરતા બધા માણસો લશ્કરી અધિકારીઓ પાસે ઉપલબ્ધ રહેતા. દાવિદ રાજાના ભાલા અને ઢાલો જે મંદિરમાં મૂક્યાં હતાં તે યહોયાદાએ અધિકારીઓને આપ્યાં. રાજાના રક્ષણ માટે તેણે મંદિરની આગળ ઉઘાડી તલવાર સાથે માણસોને ગોઠવી દીધા. પછી યહોયાદાએ યોઆશને બહાર લાવીને તેના માથા પર રાજમુગટ મૂક્યો અને તેને રાજ્યપદને લગતા નિયમોની નકલ આપી. એમ તેમણે તેને રાજા બનાવ્યો. યહોયાદા યજ્ઞકાર અને તેના પુત્રોએ યોઆશનો અભિષેક કર્યો અને “રાજા અમર રહો.” એવો પોકાર કર્યો. રાજાના જયજયકારનો લોકોનો પોકાર સાંભળીને પ્રભુના મંદિરમાં જ્યાં લોકો એકત્ર થયા હતા ત્યાં અથાલ્યા દોડી ગઈ. ત્યાં તેણે રાજાઓ માટેના નિયત કરેલ સ્તંભ પાસે નવા રાજાને જોયો. સેનાધિકારીઓ અને રણશિંગડાં વગાડનારા રાજાની ચારે બાજુ ઊભા હતા. સર્વ લોકો જયનાદ પોકારતા હતા અને રણશિંગડાં ફૂંક્તા હતા. મંદિરના ગાયકો પણ ગાયનવાદનથી સ્તુતિ કરી રહ્યા હતા. તેણે “દગો! દગો!” એવી બૂમો પાડતાં આક્રોશમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં. યજ્ઞકાર યહોયાદા અથાલ્યાને મંદિરના વિસ્તારમાં મારી નાખવા માગતો નહોતો. તેથી તેણે સૈન્યના શતાધિપતિઓને બોલાવીને તેમને કહ્યું, “તેને રક્ષકોની હરોળમાં થઈને બહાર લઈ જાઓ અને કોઈ તેને સાથ આપે તો તેને મારી નાખવો.” તેઓ તેને પકડીને રાજમહેલ લઈ ગયા અને ‘ઘોડા દરવાજા’ આગળ તેને મારી નાખી. યહોયાદા યજ્ઞકારે યોઆશ રાજા, લોકો અને પોતાના તરફથી એવો કરાર કર્યો કે તેઓ સૌએ પ્રભુના નિષ્ઠાવાન લોક બની રહેવું. પછી તેઓ સૌ બઆલના મંદિરે ગયા અને તેમણે તેને તોડી પાડયું. તેમણે વેદીઓ અને મૂર્તિઓનો ભૂક્કો બોલાવ્યો અને વેદીઓ આગળ બઆલના યજ્ઞકાર માત્તાનને મારી નાખ્યો. યહોયાદાએ પ્રભુના મંદિરનું કામ લેવીઓ અને યજ્ઞકારોને સોંપ્યું. તેમણે દાવિદ રાજાએ તેમને સોંપેલી ફરજો બજાવવાની હતી અને મોશેના નિયમશાસ્ત્ર પ્રમાણે પ્રભુને દહનબલિ ચડાવવાના હતા. વળી, દાવિદે ઠરાવ્યા પ્રમાણે ગાયનવાદન અને પર્વોત્સવને લગતી કામગીરી પણ બજાવવાની હતી. વિધિગત રીતે અશુદ્ધ હોય એવો કોઈ મંદિરમાં પ્રવેશે નહિ તે માટે તેણે મંદિરના દરવાજાઓ આગળ સંરક્ષકો મૂક્યા. રાજાને મંદિરમાંથી મહેલમાં લઈ જવાના સરઘસમાં યહોયાદા સાથે સેનાના શતાધિપતિઓ, લોકોના આગેવાનો અને સર્વ લોકો જોડાયા. તેઓ મુખ્ય પ્રવેશ દ્વારેથી રાજમહેલમાં દાખલ થયા અને રાજા રાજ્યાસન પર બિરાજ્યો. અથાલ્યાને મારી નાખવામાં આવી હતી; તેથી દેશના બધા લોકો ખુશખુશાલ હતા અને શહેરમાં બધે શાંતિ પ્રવર્તતી હતી. યોઆશ સાત વર્ષની વયે યહૂદિયાનો રાજા બન્યો. તેણે યરુશાલેમમાં ચાલીસ વર્ષ રાજ કર્યું. તેની માતા સિબ્યા બેરશેબાની હતી. યહોયાદા યજ્ઞકારની હયાતી સુધી તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ જ કર્યું. યહોયાદાએ યોઆશ રાજા સાથે બે સ્ત્રીઓનાં લગ્ન કરાવ્યાં અને તેમનાથી યોઆશને પુત્રોપુત્રીઓ થયાં. કેટલાક સમય પછી યોઆશે પ્રભુના મંદિરનું સમારકામ કરવાનો નિર્ણય કર્યો. તેણે યજ્ઞકારો અને લેવીઓને યહૂદિયાનાં નગરોમાં જઈ પ્રભુના મંદિરના વાર્ષિક સમારકામ માટે પૂરતાં નાણાં લોકો પાસેથી ઉઘરાવી લાવવા આદેશ આપ્યો. તેમણે તેમને એ કામ તાત્કાલિક અને ખંતથી કરવા કહ્યું; પણ લેવીઓએ વિલંબ કર્યો. તેથી તેમના આગેવાન યજ્ઞકાર યહોયાદાને બોલાવીને કહ્યું, “પ્રભુના સાક્ષ્યમંડપની જાળવણી માટે લેવીઓ પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલના જનસમુદાય માટે નિયત કરેલો કર યહૂદિયા અને યરુશાલેમના લોકો પાસેથી ઉઘરાવવા ગયા નથી તેનું તમે ધ્યાન કેમ નથી રાખ્યું?” પેલી દુષ્ટ સ્ત્રી અથાલ્યાના અનુયાયીઓએ ઈશ્વરના મંદિરને ભારે નુક્સાન પહોંચાડયું હતું અને બઆલની પૂજામાં તેની ઘણીબધી સાધનસામગ્રીનો ઉપયોગ કર્યો હતો. પછી રાજાએ દાન ઉઘરાવવા માટે એક પેટી બનાવડાવીને તેને મંદિરના દરવાજે મુકાવી. તેણે આખા યહૂદિયા અને યરુશાલેમમાં સંદેશો મોકલીને જાહેરાત કરાવી કે પ્રભુના સેવક મોશેએ વેરાનપ્રદેશમાં ઇઝરાયલીઓ પાસેથી સૌ પ્રથમ જે કર ઠરાવેલ તે કર પ્રત્યેક જણ પ્રભુ પાસે લાવે. સર્વ સૂબાઓને અને સર્વ લોકોને એ વાત ગમી ગઈ, અને તેઓ પોતાનો કર લાવીને પેટી ભરી દેતા. લેવીઓ દરરોજ એ પેટી તેના સંબંધિત અમલદારો પાસે લઈ જતા. જ્યારે પેટી ભરાઈ જાય ત્યારે રાજાના મંત્રી અને પ્રમુખ યજ્ઞકારના પ્રતિનિધિ પૈસા કાઢી લઈ પેટીને તેના સ્થાને ફરી મૂક્તા. એમ દિનપ્રતિદિન કરીને તેમણે મોટી રકમ ઊભી કરી. રાજા અને યહોયાદા એ રકમમાંથી મંદિરનું સમારકામ કરવાની જવાબદારી જેમના હસ્તક હતી તેમને આપતા અને તેમણે શિલ્પી, સુથારો, લુહારો, કંસારા વગેરે કારીગરોને રોકાયા. બધા કારીગરોએ સખત કામ કરીને મંદિરને તેની મૂળ સ્થિતિમાં હતું તેવું મજબૂત કર્યું. સમારકામ પૂરું થતાં, તેમણે વધેલું સોનુંચાંદી રાજા અને યહોયાદાને પરત કર્યું. તેમણે તેમાંથી પ્રભુના મંદિરનાં અર્પણોની સેવા માટેનાં પાત્રો અને ધૂપપાત્રો બનાવ્યાં. યહોયાદા જીવતો હતો ત્યાં સુધી પ્રભુના મંદિરમાં નિયમિત રીતે દહનબલિ ચડાવાતા. તે એક્સો ત્રીસ વર્ષની ઘણી પાકટ ઉંમરે મરણ પામ્યો. ઇઝરાયલી લોકો માટે, ઈશ્વર માટે અને પ્રભુના મંદિર માટે તેણે બજાવેલી સેવાની કદર કરીને તેમણે તેને દાવિદ નગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવ્યો. પણ યહોયાદાના મરણ પછી યહૂદિયાના આગેવાનો પોતાની વાત યોઆશ રાજાને સમજાવવામાં સફળ થયા. તેથી લોકોએ તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુના મંદિરમાં ભક્તિ કરવાનું બંધ કર્યું અને મૂર્તિઓ તેમજ અશેરા દેવીની પ્રતિમાઓની ભક્તિ કરવા લાગ્યા. એમના એ અપરાધને લીધે ઈશ્વર યહૂદિયા અને યરુશાલેમના લોકો પર કોપાયમાન થયા. પ્રભુએ લોકોને પોતાની તરફ પાછા ફરવા ચેતવણી આપવા સંદેશવાહકોને મોકલ્યા, પણ તેમણે તેમનું સાંભળ્યું નહિ. પછી ઈશ્વરના આત્માએ યહોયાદા યજ્ઞકારના પુત્ર ઝખાર્યાનો કબજો લીધો. પછી તેણે લોકો સમક્ષ ઊભા રહીને તેમને કહ્યું: “પ્રભુ ઈશ્વર પૂછે છે કે મારી આજ્ઞાઓ ઉથાપીને તમે શા માટે પોતા પર આપત્તિ વહોરી લો છો? તમે પ્રભુનો ત્યાગ કર્યો છે માટે તેમણે પણ તમારો ત્યાગ કર્યો છે!” યોઆશ રાજા ઝખાર્યા વિરુદ્ધના કાવતરામાં સામેલ થયો, અને રાજાની આજ્ઞાથી લોકોએ તેને પથ્થરો મારીને પ્રભુના મંદિરના ચોકમાં મારી નાખ્યો. ઝખાર્યાના પિતા યહોયાદાએ રાજા પ્રત્યે દાખવેલી વફાદારીપૂર્વકની સેવા રાજા ભૂલી ગયો, અને તેણે ઝખાર્યાને મારી નંખાવ્યો. મરતાં મરતાં ઝખાર્યા બોલ્યો, “તમે જે કરો છો તે જોઈને પ્રભુ તમને શિક્ષા કરો!” એ વર્ષના અંતે અરામના સૈન્યે આક્રમણ કરીને યહૂદિયા અને યરુશાલેમના સઘળા આગેવાનોને મારી નાખ્યા અને તેઓ મોટી લૂંટ મેળવીને દમાસ્ક્સ જતા રહ્યા. અરામનું સૈન્ય તો નાનું હતું, પણ લોકોએ તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો હોઈ તેમણે યહૂદિયાના મોટા સૈન્યને હારવા દીધું. એ રીતે રાજા યોઆશને શિક્ષા થઈ. તે સખત ઘવાયો, અને શત્રુ સૈન્ય પાછું ગયું ત્યારે તેના બે અધિકારીઓએ કાવતરું કરીને તેને તેની પથારીમાં જ મારી નાખ્યો, અને એમ યહોયાદા યજ્ઞકારના પુત્રના ખૂનનો બદલો લીધો. તેને દાવિદનગરમાં દાટવામાં આવ્યો, પણ રાજકુટુંબની કબરોમાં નહિ. એ કાવતરામાં ભાગ લેનારાઓમાં આમ્મોની સ્ત્રી શિમિયાનો પુત્ર ઝાબાદ અને અને મોઆબી સ્ત્રી શિમ્રિથનો પુત્ર યહોઝાબાદ હતા. રાજાઓના પુસ્તક પરના ટીકાગ્રંથમાં યોઆશના પુત્રોની વાતો, તેની વિરુદ્ધ ભાખવામાં આવેલ ભવિષ્યવાણીઓ અને તેણે કેવી રીતે મંદિરનો ર્જીણોદ્ધાર કર્યો એ બધું લખેલું છે. તેના પછી તેનો પુત્ર અમાસ્યા રાજા બન્યો. અમાસ્યા પચીસ વર્ષની વયે રાજા થયો અને તેણે યરુશાલેમમાં ઓગણત્રીસ વર્ષ રાજ કર્યું. તેની માતા યહોઆદ્દીન યરુશાલેમની હતી. પ્રભુની દૃષ્ટિએ, યથાયોગ્ય આચરણ તો કર્યું, પણ સાચા દિલથી નહિ. તેની રાજ -સત્તા પર પકડ બેઠી કે તેણે તેના પિતાનું ખૂન કરનાર અધિકારીઓને મારી નાખ્યા. જો કે તેણે તેમનાં સંતાનોને મારી નાખ્યાં નહિ પણ મોશેના નિયમશાસ્ત્રમાં આપેલા પ્રભુના આ ફરમાનનું અનુસરણ કર્યું: “સંતાનોના ગુના માટે માબાપને અથવા માબાપના ગુના માટે સંતાનોને મારી નાખવાં નહિ; પ્રત્યેક જણ માત્ર પોતે કરેલા પાપને લીધે જ માર્યો જાય.” અમાસ્યાએ યહૂદા અને બિન્યામીનના કુળોના સર્વ પુરુષોને તેમના ગોત્ર પ્રમાણે લશ્કરી એકમોમાં ગોઠવ્યા અને પ્રત્યેક હજાર હજારના અને પ્રત્યેક સો સોના એકમ પર સેનાધિકારીઓ મૂક્યા. એમાં વીસ વર્ષ કે તેથી વધારે ઉંમરના ભાલા અને ઢાલ વાપરવામાં કુશળ હોય એવા એકંદરે ત્રણ લાખ પુરુષો હતા. વળી, તેણે ઇઝરાયલ પાસેથી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી આપી એક લાખ સૈનિકો ભાડે રાખ્યા. પણ એક ઈશ્વરભક્તે આવીને રાજાને કહ્યું, “આ ઇઝરાયલી સૈનિકોને તમારી સાથે લેશો નહિ. ઉત્તરના રાજ્યમાંથી એફ્રાઈમીઓની આગેવાની હેઠળ આવેલા આ સૈનિકો સાથે પ્રભુ નથી. તમે કદાચ એમ માનતા હશો કે એમને લીધે લડાઈમાં મારી પકડ મજબૂત થશે; બાકી હાર કે જીત પમાડવી એ તો ઈશ્વરના હાથની વાત છે, અને તે તમને તમારા શત્રુઓ આગળ હાર પમાડશે.” પણ અમાસ્યાએ ઈશ્વરભક્તને કહ્યું, “પણ મેં ઇઝરાયલી સેના માટે ચૂકવી દીધેલી ચાંદીનું શું?” ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “પ્રભુ તમને એથીયે વિશેષ આપી શકે તેમ છે.” તેથી અમાસ્યાએ એફ્રાઈમની આગેવાની હેઠળ આવેલા ઇઝરાયલી સૈન્યના માણસોને પોતપોતાને ઘેર પાછા જતા રહેવા જણાવ્યું, એથી તેઓ યહૂદિયાના લોકો પર ખૂબ ક્રોધે ભરાઈને ઘેર જતા રહ્યા. પછી અમાસ્યા પૂરી હિંમત રાખીને પોતાના સૈન્યને મીઠાની ખીણમાં દોરી ગયો. ત્યાં યુદ્ધમાં તેમણે દશ હજાર અદોમી સૈનિકોને મારી નાખ્યા. અને બીજા દશ હજાર સૈનિકોને કેદ પકડયા. તેમણે કેદી સૈનિકોને સેલા નગર પાસેની કરાડની ટોચે લઈ જઈને ત્યાંથી તેમને નીચે ફેંક્યા, જેથી તેઓ નીચાણમાંના ખડકો પર પટકાઈને મરી ગયા. દરમ્યાનમાં જે ઇઝરાયલી સૈનિકોને અમાસ્યાએ પોતાની સાથે લડાઈમાં આવવા દીધા નહોતા, તેમણે સમરૂન અને બેથ-હોરોનની વચ્ચેના યહૂદિયાનાં નગરો પર હુમલો કરી ત્રણ હજાર પુરુષોને મારી નાખ્યા અને મોટી લૂંટ પ્રાપ્ત કરી. અદોમીઓને હરાવીને અમાસ્યા પાછો ફર્યો ત્યારે પોતાની સાથે તેમની મૂર્તિઓ લેતો આવ્યો. તેણે તેમની સ્થાપના કરી તેમની ભક્તિ કરી અને તેમની આગળ ધૂપ બાળ્યો. તેથી અમાસ્યા પર પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો. તેમણે પોતાના એક સંદેશવાહકને અમાસ્યા પાસે મોકલ્યો. સંદેશવાહકે પૂછયું, “તારા હાથમાંથી પોતાના લોકને પણ બચાવી ન શકનાર એવા પારકા દેવોનો આશરો કેમ લીધો છે?” અમાસ્યા વચમાં બોલી ઊઠયો, “અમે તને રાજાનો સલાહકાર ક્યારે બનાવ્યો? ચૂપ થા! તું શા માટે જાણી બૂજીને મોત માગે છે?” તે પછી સંદેશવાહક માત્ર આટલું જ બોલ્યો: “હવે મને ખબર પડી કે આ બધાં કાર્યોને લીધે અને મારી સલાહ નહિ ગણકારવાને લીધે ઈશ્વરે તારો વિનાશ કરવાનો નિર્ણય કર્યો છે.” યહૂદિયાના રાજા અમાસ્યા અને તેના સલાહકારોએ ઇઝરાયલ વિરુદ્ધ કાવતરું ઘડયું. પછી તેણે યેહુના પૌત્ર અને યહોઆહાઝના પુત્ર ઇઝરાયલના રાજા યોઆશને યુદ્ધનો પડકાર ફેંક્તો સંદેશો મોકલ્યો. “ચાલ, મારી સામે આવી જા!” ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યાને પ્રત્યુત્તર પાઠવ્યો: “એકવાર લબાનોનના પહાડીપ્રદેશમાં એક ઝાંખરાએ ગંધતરુના વૃક્ષને સંદેશો મોકલ્યો, ‘તારી પુત્રીને મારા પુત્ર સાથે પરણાવ. એવામાં ત્યાં થઈને એક જંગલી જાનવર પસાર થયું અને તેણે પેલા ઝાંખરાને કચડી નાખ્યું. અમાસ્યા, અદોમીઓને હરાવ્યા હોવાથી હવે તું બડાઈ હાંકે છે! છાનો માનો બેસી રહે ને! તું શા માટે તારી તથા તારા લોકોની પાયમાલી નોતરે છે?” પણ અમાસ્યાએ તેનું કહેવું ગણકાર્યું નહિ. અમાસ્યાએ અને તેના લોકે અદોમી દેવોની ભક્તિ કરી હોવાથી ઈશ્વરે તેમને તેમના શત્રુઓને હાથે હાર પમાડવાનો નિર્ધાર કર્યો હતો. તેથી ઇઝરાયલનો રાજા યોઆશ યહૂદિયાના રાજા અમાસ્યા સામે યુદ્ધ કરવા ગયો. તેઓ યહૂદિયાના બેથશેમેશમાં સામસામા આવી ગયા. યહૂદિયાનું સૈન્ય હારી ગયું અને સૈનિકો પોતપોતાને ઘેર નાસી ગયા. યોઆશ બેથશેમેશથી અમાસ્યાને પકડીને યરુશાલેમ લઈ ગયો. ત્યાં તેણે એફ્રાઈમના દરવાજાથી માંડીને ખૂણાના દરવાજા સુધી નગરની લગભગ બસો મીટરની દીવાલ તોડી પાડી. વળી, પ્રભુના મંદિરમાંનું સઘળું સોનુંચાંદી, ઓબેદ- અદોમના વંશજોના સંરક્ષણ હેઠળ રહેતી મંદિરની સાધનસામગ્રી અને રાજમહેલના ભંડારોની સંપત્તિ એ બધું લૂંટી લઈ પાછો સમરૂન જતો રહ્યો. તે પોતાની સાથે કેટલાકને બાનમાં પણ પકડી ગયો. યહૂદિયાનો રાજા અમાસ્યા ઇઝરાયલના રાજા યોઆશ કરતાં પંદર વર્ષ વધુ જીવ્યો. અમાસ્યાએ તેના અમલની શરૂઆતથી તેના અંત સુધી કરેલાં બધાં કાર્યો યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. તેણે પ્રભુની વિરુદ્ધ બંડ પોકાર્યું ત્યારથી યરુશાલેમમાં તેની વિરુદ્ધ કોઈને કોઈ કાવતરું ઘડાતું. છેવટે તે લાખીશ નગરમાં નાસી ગયો, પણ તેના શત્રુઓએ તેનો પીછો કર્યો અને તેને મારી નાખ્યો. તેનો મૃતદેહ ઘોડા ઉપર યરુશાલેમ લઈ જવાયો અને ત્યાં તેને તેના પૂર્વજો સાથે દાવિદનગરમાં રાજવી કબરમાં દફનાવ્યો. યહૂદિયાના સર્વ લોકોએ અમાસ્યાના સોળ વર્ષની વયના પુત્ર ઉઝિયાને તેના પિતાની જગ્યાએ રાજા બનાવ્યો. (અમાસ્યાના મરણ પછી ઉઝિયાએ એલાથ પાછું જીતી લઈ તેનું પુન:બાંધકામ કર્યું.) ઉઝિયા સોળ વર્ષની ઉંમરે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં બાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યખિલ્યા હતું; જે યરુશાલેમની હતી. તેના પિતાનો નમૂનો અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. તેનો ધાર્મિક સલાહકાર ઝખાર્યા પોતે જીવ્યો ત્યાં સુધી તેણે તેને ઈશ્વરની નિષ્ઠાપૂર્વક ઉપાસના કરતાં શીખવ્યું અને જ્યાં સુધી તેણે પ્રભુની ઉપાસના કરી ત્યાં સુધી તેમણે તેને આબાદી બક્ષી. ઉઝિયાએ પલિસ્તીઓ પર આક્રમણ કર્યું. તેણે ગાથ, યાબ્ને અને આશ્દોદ નગરની દીવાલો તોડી પાડી અને આશ્દોદ નજીક અને બાકીના પલિસ્તીઓના પ્રદેશમાં કિલ્લેબંધીવાળાં નગરો બાંધ્યાં. ઈશ્વરે તેને પલિસ્તીઓ, ગુરબઆલમાં રહેતા આરબો અને મેઉનીઓને હરાવવામાં મદદ કરી. આમ્મોનીઓ ઉઝિયાને ખંડણી ભરતા અને તે એટલો સત્તાશાળી બન્યો કે તેની કીર્તિ છેક ઇજિપ્ત સુધી પ્રસરી ગઈ. ઉઝિયાએ ખૂણાના દરવાજે, ખીણના દરવાજે અને જ્યાં જ્યાં કોટનો વળાંક હોય ત્યાં ત્યાં બુરજો બાંધીને યરુશાલેમના કોટને મજબૂત કર્યો. તેણે સપાટ પ્રદેશમાં કિલ્લેબંધીવાળાં બુરજો બંધાવ્યા અને ઘણાં ટાંકાઓ ખોદાવ્યાં, પશ્ર્વિમમાં શેફેલા પ્રદેશની ટેકરીઓ પર અને મેદાનોમાં તેની પાસે ઘણાં ઢોરઢાંક હતાં. તેને ખેતીવાડીનો શોખ હોઈ તેણે દ્રાક્ષવેલા રોપવા માળીઓને અને ફળદ્રુપ જમીનમાં ખેતી કરવા ખેડૂતોને ઉત્તેજન આપ્યું. ઉઝિયા પાસે તાલીમબદ્ધ અને સુસજ્જ સૈન્ય હતું. એ સૈન્ય રાજાના સેનાપતિ હનાન્યાના નિયંત્રણ હેઠળ હતું. રાજાના મંત્રીઓ યેઇએલ અને માસેઆ તેમની ટુકડીવાર નોંધ રાખતા. સૈન્યમાં ગોત્રવાર ઉપરી તરીકે બે હજાર છસો અધિકારીઓ હતા. તેમની હેઠળ રાજાના શત્રુઓ સામે લડવાને ત્રણ લાખ સાત હજાર પાંચસો શૂરવીર સૈનિકો હતા. ઉઝિયા સૈન્યને ઢાલો, ભાલા, ટોપ, બખ્તર, તીર અને ધનુષ્ય અને ગોફણના ગોળા પૂરા પાડતો. યરુશાલેમમાં તેના બાહોશ કારીગરો તીર છોડવાનાં અને બુરજ અથવા કોટના ખૂણેથી મોટા પથ્થરો ફેંકવાનાં સાધનો બનાવતા. તેની કીર્તિ ચોમેર પ્રસરી ગઈ અને ઈશ્વર તરફથી મળેલી મદદથી તે બળવાન થતો ગયો.” ઉઝિયા રાજા બળવાન બન્યો એટલે તે ઘમંડી બન્યો અને તેથી એનું પતન થયું. પોતાના ઈશ્વર પ્રભુ પ્રત્યે સાચી નિષ્ઠાને અભાવે તેણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપવેદી પર ધૂપ બાળ્યો અને એમ તેના ઈશ્વર પ્રભુનો તિરસ્કાર કર્યો. એંસી બળવાન અને હિંમતવાન યજ્ઞકારોને સાથે લઈને અઝાર્યા યજ્ઞકાર રાજાની પાછળ પાછળ ગયો. તેમણે તેને અટકાવતાં કહ્યું, “હે ઉઝિયા, પ્રભુ સમક્ષ ધૂપ બાળવાનો તમને કોઈ અધિકાર નથી. એ કામ તો આરોન વંશના સમર્પિત યજ્ઞકારોનું જ છે. આ પવિત્ર સ્થાનમાંથી જતા રહો. તમે ઈશ્વરના ગુનેગાર બન્યા છો, અને તમે હવે પ્રભુ પરમેશ્વર તરફથી માન પામવાના નથી.” ઉઝિયા પ્રભુના મંદિરમાં ધૂપવેદી પાસે હાથમાં ધૂપપાત્ર લઈ ઊભો હતો. તેને યજ્ઞકારો પર ક્રોધ ચઢયો, અને યજ્ઞકારોના દેખતાં જ તેના કપાળમાં એકદમ કોઢ ફૂટી નીકળ્યો. અઝાર્યા મુખ્ય યજ્ઞકાર અને બીજા યજ્ઞકારો ભયભીત થઈને રાજાના કપાળ તરફ જોઈ રહ્યા અને પછી તેને પ્રભુના મંદિરમાંથી બહાર કાઢી મૂકયો. પ્રભુએ તેને રોગથી શિક્ષા કરી હોઈ તે પણ ઉતાવળે બહાર નીકળી ગયો. ઉઝિયા રાજા તેના બાકીના જીવન દરમ્યાન તેના કોઢના રોગને કારણે વિધિગત રીતે અશુદ્ધ રહ્યો. પ્રભુના મંદિરમાં તે પ્રવેશી શકે તેમ ન હોવાથી તે તેના પોતાના જુદા ઘરમાં રહ્યો. પોતાની સર્વ ફરજથી તે મુક્ત થયો અને તેનો પુત્ર યોથામ રાજકારભાર ચલાવતો અને દેશના લોકોનો ન્યાય ચૂકવતો. ઉઝિયા રાજાએ તેના અમલ દરમ્યાન બાકીનાં જે જે કાર્યો કર્યાં તે આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ નોંયાં છે. ઉઝિયા મરણ પામ્યો અને તેને તેના કોઢના રોગને લીધે રાજકુટુંબની કબરમાં નહિ, પણ અલગ જગ્યામાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યોથામ રાજા બન્યો. યોથામ પચીસ વર્ષની વયે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેની માતા યરૂશા સાદોકની પુત્રી હતી. તેના પિતાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. તેણે તેના પિતાની જેમ પ્રભુના મંદિરમાં ધૂપ બાળીને પાપ કર્યું નહિ, પણ લોકો તો હજી મૂર્તિપૂજાના દુરાચરણીઓ હતા. પ્રભુના મંદિરનો ઉત્તર તરફનો દરવાજો યોથામે બંધાવ્યો હતો. તેણે યરુશાલેમના ઓફેલ નામના વિસ્તારમાં નગરના કોટ પર વિસ્તૃત બાંધકામ કર્યું. વળી, તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાંનાં નગરો બાંધ્યાં અને વનમાં કિલ્લા અને બુરજ બંધાવ્યા. તેણે આમ્મોનીઓ સામે યુદ્ધ કરી તેમને હરાવ્યા. પછી તેણે ત્રણ વર્ષ સુધી આમ્મોનીઓ પાસેથી પ્રતિવર્ષે ત્રણ હજાર ચારસો કિલો ચાંદી, એક હજાર ટન ઘઉં અને એક હજાર ટન જવની ખંડણી લીધી. યોથામ પ્રભુ તેના ઈશ્વરને સાચી નિષ્ઠાથી અનુસર્યો તેથી તે શક્તિશાળી થતો ગયો. યોથામના અમલના બીજા બનાવો, તેનાં યુદ્ધો, અને તેની રાજનીતિની વિગતો ઇઝરાયલ અને યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલી છે. યોથામ પચ્ચીસ વર્ષનો થયો ત્યારે તે રાજા બન્યો. અને તેણે યરુશાલેમમાં રહી સોળ વર્ષ રાજ કર્યું. યોથામ મૃત્યુ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાઝ રાજા બન્યો. આહાઝ વીસ વર્ષની વયે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તે પોતાના પૂર્વજ દાવિદ રાજાનો નમૂનો અનુસર્યો નહિ; એથી ઊલટું, તેણે પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું, અને ઇઝરાયલના રાજાઓને અનુસર્યો. તેણે બઆલની ધાતુની મૂર્તિઓ બનાવી, હિન્‍નોમની ખીણમાં ધૂપ બાળ્યો. અને ઇઝરાયલી લોકો દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ તેમની આગળથી પ્રભુએ જે પ્રજાઓને દેશમાંથી હાંકી કાઢી હતી તેમના ધૃણાસ્પદ રીતરિવાજોનું અનુકરણ કરીને તેણે પોતાના પુત્રોને મૂર્તિઓની આગળ દહનબલિ તરીકે ચઢાવ્યા. તેણે પ્રત્યેક ટેકરી પરનાં અને પ્રત્યેક લીલા વૃક્ષ નીચેનાં પૂજાસ્થાનોએ બલિદાન ચઢાવ્યાં અને ધૂપ બાળ્યો. આહાઝ રાજાના અપરાધને લીધે તેના ઈશ્વર પ્રભુએ તેને અરામના રાજાના હાથે હાર પમાડી અને યહૂદિયાના લોકોને મોટી સંખ્યામાં દમાસ્ક્સ યુદ્ધ કેદીઓ તરીકે લઈ જવા દીધા. વળી, પ્રભુએ રમાલ્યાના પુત્ર એટલે ઇઝરાયલના રાજા પેકાના હાથે હરાવ્યો અને એક જ દિવસમાં યહૂદિયાના એક લાખ વીસ હજાર શૂરવીર સૈનિકો માર્યા ગયા. યહૂદિયાના લોકોએ પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો હોઈ તેમણે એ બધું થવા દીધું. *** ઝિખ્રી નામના એક ઇઝરાયલી યોદ્ધાએ આહાઝ રાજાના પુત્ર માસેયાને, રાજમહેલના વહીવટદાર આઝીકામને અને રાજાના સરસેનાપતિ એલ્કાનાને મારી નાખ્યા. આમ તો યહૂદિયાના લોકો તેમના સાથીભાઈઓ હોવા છતાં ઇઝરાયલના સૈન્યે યહૂદિયામાંથી બે લાખ સ્ત્રીઓ અને બાળકો તથા પુષ્કળ લૂંટ સમરૂન લઈ ગયા. સમરૂન નગરમાં ઓદેદ નામે પ્રભુનો એક સંદેશવાહક હતો. સમરૂનમાં પાછું આવેલ ઇઝરાયલી સૈન્ય યહૂદિયાના કેદીઓ લઈ શહેરમાં પ્રવેશી રહ્યું હતું ત્યારે ઓદેદે તેમને મળીને કહ્યું, “તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ યહૂદિયા પર કોપાયમાન થઈને તમારી આગળ તેમને હાર પમાડી, પણ તમે ખુન્‍નસમાં આવી જઈને તેમનો જે કારમો સંહાર કર્યો છે તે તેમણે લક્ષમાં લીધો છે. હવે તમે યરુશાલેમ અને યહૂદિયાના સ્ત્રીપુરુષોને તમારા ગુલામ બનાવવા માગો છો. એમ કરીને તમે તમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે એ શું તમે નથી જાણતા? મારું સાંભળો; આ કેદીઓ તો તમારાં ભાઈ-બહેનો છે. તેમને છોડી મૂકો, નહિ તો પ્રભુનો ઉગ્ર કોપ તમારા પર ઝળુંબી રહ્યો છે.” ઉત્તરના રાજ્યના ચાર એફ્રાઈમી અગ્રણીઓએ એટલે યહોહનાનનો પુત્ર અઝાર્યા, મેશિલ્લેમોથના પુત્ર બેરેખ્યા, શાલ્લુમના પુત્ર યહિઝકિયા અને હાદલાઈના પુત્ર અમાસાએ પણ સૈન્યના એ પગલાનો વિરોધ કર્યો. તેમણે કહ્યું, “એ કેદીઓને અહીં આપણા દેશમાં લાવશો નહિ. એમ કરવાથી તો આપણે પ્રભુ સમક્ષ ગુનેગાર ઠરીશું અને આપણાં પાપોમાં વધારો કરીશું. આમેય આપણે પ્રભુ સમક્ષ અપરાધી ઠરી ચૂક્યા છીએ અને ઇઝરાયલ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો છે.” તેથી સૈન્યે લોકો અને તેમના આગેવાનોને કેદીઓ અને લૂંટેલો સામાન સોંપી દીધા. પછી ઉપર જેમનાં નામ દર્શાવ્યાં છે તે ચાર માણસોએ કેદીઓની રાહતની કામગીરી ઉપાડી લીધી. તેમણે નવસ્ત્રા કેદીઓને લૂંટમાંથી વસ્ત્રો અને પગરખાં પહેરવા આપ્યાં; ખાવાપીવાનું આપ્યું અને તેમના ઘા પર ઓલિવ તેલ લગાવ્યું. વળી, તેમણે અશક્ત માણસોને ગધેડાં ઉપર બેસાડયા અને સર્વ કેદીઓને યહૂદિયાની સીમામાં ખજૂરીના નગર યરીખો મૂકી આવ્યા. પછી ઇઝરાયલીઓ સમરૂનમાં પાછા ફર્યા. અદોમીઓ ફરીથી યહૂદિયા પર હુમલો કરી ઘણા લોકોને કેદીઓ તરીકે લઈ જવા લાગ્યા, તેથી આહાઝ રાજાએ આશ્શૂરના સમ્રાટ તિગ્લાથ-પિલેસેરને મદદ મોકલવા વિનંતી કરી. *** આ જ સમયે પલિસ્તીઓ પણ શેફેલા પ્રદેશનાં અને દક્ષિણ યહૂદિયાનાં નગરો પર હુમલો કરતા હતા. તેમણે બેથ-શેમશ, આયાલોન, અને ગેદેરોથ નગરોને તેમ જ સોખો, તિમ્ના અને ગિમ્ઝો નગરો તેમનાં ગામો સહિત કબજે કર્યાં અને ત્યાં કાયમી વસવાટ કર્યો. યહૂદિયાના રાજા આહાઝના લોકો પ્રત્યેના બેફામ વર્તનને લીધે અને તે પ્રભુ પ્રત્યે નિષ્ઠાવાન નહિ હોવાથી પ્રભુએ યહૂદિયા પર આપત્તિ આણી. આશ્શૂરનો સમ્રાટ તિગ્લાથ પિલેસેર આવ્યો તો ખરો, પણ આહાઝને મદદ કરવાને બદલે તેના પર આક્રમણ કરીને તેને ભીંસમાં મૂકી દીધો. તેથી આહાઝે પ્રભુના મંદિરમાંથી, રાજમહેલમાંથી અને લોકોના આગેવાનોનાં ઘરોમાંથી સોનું લઈને આશ્શૂરના સમ્રાટને આપ્યું. પણ તેથી કંઈ વળ્યું નહિ. આહાઝ રાજા પોતાના સંકટના સમયમાં પણ પ્રભુ વિરુદ્ધ વધારે ને વધારે પાપ કરતો રહ્યો. તેણે તેને હરાવનાર અરામી લોકોના દેવોને બલિદાન ચડાવ્યાં. તેણે કહ્યું, “દમાસ્ક્સના દેવોએ અરામના રાજાને મદદ કરી છે; તેથી હું તેમને બલિદાન ચડાવું તો તેઓ મને પણ મદદ કરશે.” એનાથી તેના પર અને તેના લોક પર આફત આવી. વળી તેણે પ્રભુના મંદિરમાં સઘળાં સાધનોનો ભૂક્કો કર્યો. તેણે પ્રભુનું મંદિર બંધ કર્યું અને યરુશાલેમના પ્રત્યેક ભાગમાં વેદીઓ ઊભી કરી. તેણે વિધર્મી દેવોની આગળ ધૂપ ચડાવવા માટે યહૂદિયાનાં સર્વ નગરો અને ગામોમાં પૂજાનાં ઉચ્ચસ્થાનો બંધાવ્યાં એ રીતે તેણે પોતાના ઉપર પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુનો કોપ વહોરી લીધો. આહાઝના અમલ દરમ્યાન તેનાં પહેલેથી છેલ્લે સુધીનાં બધાં કામો યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. આહાઝ રાજા મરણ પામ્યો અને તેને યરુશાલેમમાં દફનાવ્યો, પણ રાજવી કબરોમાં નહિ. તેનો પુત્ર હિઝકિયા તેના પછી રાજા બન્યો. હિઝકિયા પચીસ વર્ષની વયે યહૂદિયાનો રાજા બન્યો અને તેણે યરુશાલેમમાંથી ઓગણત્રીસ વર્ષ રાજ કર્યું. તેની માતા અબિયા ઝખાર્યાની પુત્રી હતી. પોતાના પૂર્વજ દાવિદ રાજાનો નમૂનો અનુસરી તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. હિઝકિયા રાજા બન્યો એ વર્ષના પ્રથમ માસમાં તેણે પ્રભુના મંદિરના દરવાજા ખોલી નાખ્યા અને તેમને સમાર્યા. તેણે મંદિરના પૂર્વ તરફના ચોકમાં કેટલાક યજ્ઞકારો અને લેવીઓને એકઠા કર્યા. ત્યાં તેણે તેમને સંબોધન કર્યું. તેણે કહ્યું, “હે લેવીઓ, મારું સાંભળો; તમારી જાતને શુદ્ધ કરો અને તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુના મંદિરને શુદ્ધ કરો. મંદિરને અશુદ્ધ કરનારી સઘળી વસ્તુઓ તેમાંથી દૂર કરો. આપણા પૂર્વજો ઈશ્વર આપણા પ્રભુ પ્રત્યે બેવફા નીવડયા છે અને તેમને ન ગમતાં કામો તેમણે કર્યાં છે. તેમણે તેમનો ત્યાગ કર્યો અને તેમના નિવાસસ્થાનથી વિમુખ થઈને તે તરફ દુર્લક્ષ સેવ્યું છે. તેમણે મંદિરનાં દ્વાર બંધ કરી દઇ દીવા હોલવાઈ જવા દીધા છે. અને ઇઝરાયલના ઈશ્વરના મંદિરમાં નથી ધૂપ બાળ્યો કે નથી દહનબલિ ચડાવ્યાં. એને લીધે પ્રભુ યહૂદિયા અને યરુશાલેમ પર કોપાયમાન થયા છે અને તમે તમારી નજરે જુઓ છો કે તેમણે તેમના એવા હાલ કર્યા છે કે સૌ કોઈ તેમને જોઈને આઘાત અને આશ્ર્વર્ય પામીને તેમની મશ્કરી ઉડાવે છે. આપણા પૂર્વજો લડાઈમાં માર્યા ગયા અને આપણી સ્ત્રીઓ અને બાળકોને કેદ લઈ જવાયાં છે. “પ્રભુનો આપણા પરનો કોપ શમી જાય તે માટે મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સાથે કરાર કરવાનો નિર્ણય કર્યો છે. તેથી મારા દીકરાઓ, સમય વેડફો નહિ. પ્રભુએ તેમની સેવાભક્તિ કરવા અને તેમની આગળ ધૂપ ચડાવવા તેમના સેવકો તરીકે તમને જ પસંદ કર્યા છે.” તેથી આ લેવીઓએ કામગીરી ઉપાડી લીધી: કહાથના ગોત્રમાંથી અમાસાયનો પુત્ર માહાથ અને અઝાર્યાનો પુત્ર યોએલ, મરારીના ગોત્રમાંથી આબ્દીનો પુત્ર કીશ અને યહાલ્લાલએલનો પુત્ર અઝાર્યા, ગેર્શોમના ગોત્રમાંથી સિમ્નાનો પુત્ર યોઆ અને યોઆનો પુત્ર એદેન, એલિસાફાનના ગોત્રમાંથી સિમ્રી અને યેઉએલ, આસાફના ગોત્રમાંથી ઝખાર્યા અને માત્તાન્યા, હેમાનના ગોત્રમાંથી યહૂએલ અને શિમઈ, યદૂથુનના ગોત્રમાંથી શમાયા અને ઉઝિયેલ. *** *** એ માણસોએ સાથી લેવીઓને એકઠા કર્યા અને પોતાને વિધિગત રીતે શુદ્ધ કર્યા. પછી રાજાના આદેશ પ્રમાણે પ્રભુના નિયમશાસ્ત્ર મુજબ તેમણે મંદિરનું શુદ્ધિકરણનું કામ ઉપાડયું. યજ્ઞકારો પ્રભુના મંદિરમાં તેને શુદ્ધ કરવા ગયા અને સઘળી અશુદ્ધ વસ્તુઓ મંદિરના ચોકમાં કાઢી નાખી. ત્યાંથી લેવીઓ તેમને નગર બહાર કિદ્રોનની ખીણમાં લઈ ગયા. પ્રથમ માસને પ્રથમ દિવસે કામ શરૂ થયું અને પ્રભુના મંદિરના પ્રવેશખંડના કામ સહિત બધું કામ આઠમે દિવસે પૂરું કર્યું. પછી તેમણે વધુ આઠ દિવસો સુધી એટલે માસના સોળમા દિવસ સુધી કામ કરી પ્રભુના મંદિરને ભક્તિ માટે તૈયાર કર્યું. પછી લેવીઓએ રાજમહેલમાં જઈને હિઝકિયાને આ પ્રમાણે જાણ કરી: “અમે દહનબલિને માટે વેદીનું, પવિત્ર રોટલીની મેજનું અને તેમની સર્વ સાધનસામગ્રી સહિત આખા મંદિરનું શુદ્ધિકરણનું કામ પૂરું કર્યું છે. આહાઝ રાજા ઈશ્વર પ્રત્યે બેવફા નીવડીને જે સર્વ પાત્રો લઈ ગયો હતો તે પાછાં લાવીને અમે તેમનું પુન:સમર્પણ કર્યું છે. એ બધાં સાધનો પ્રભુની વેદીની પાસે રાખેલાં છે.” હિઝકિયા રાજાએ નગરના આગેવાનોને સત્વરે એકઠા કર્યા અને તેઓ સૌ પ્રભુના મંદિરમાં તેના શુદ્ધિકરણ માટે ગયા. રાજવંશના કુટુંબનાં અને યહૂદિયાના લોકોનાં પાપ દૂર કરવા અને પ્રભુના મંદિરને શુદ્ધ કરવા બલિદાન અર્થે તેમણે સાત આખલા, સાત ઘેટા, સાત હલવાન અને સાત બકરા લીધા. રાજાએ આરોનવંશી યજ્ઞકારોને વેદી પર બલિદાન ચડાવવા કહ્યું. યજ્ઞકારોએ પ્રથમ આખલા, પછી ઘેટાં અને પછી હલવાન કાપ્યાં અને પ્રત્યેક બલિના રક્તનો વેદી પર છંટકાવ કર્યો. છેલ્લે, તેઓ રાજા અને અન્ય ઉપાસકો પાસે બકરા લઈ ગયા, અને તેમણે તેમના પર હાથ મૂક્યા. પછી યજ્ઞકારોએ બકરા કાપ્યા અને સર્વ લોકોનાં પાપ દૂર કરવા માટે બલિદાન તરીકે તેમનું રક્ત વેદી પર રેડી દીધું, કારણ, રાજાએ સર્વ ઇઝરાયલને માટે દહનબલિ અને પાપનિવારણબલિ ચડાવવાનો હુકમ કર્યો હતો. પ્રભુએ દાવિદ રાજાને રાજાના સંદેશવાહક ગાદ અને સંદેશવાહક નાથાન મારફતે આપેલી સૂચનાઓ હિઝકિયા રાજાએ અમલમાં મૂકી; તેણે લેવીઓને પ્રભુના મંદિરમાં વીણા અને ઝાંઝ સાથે ઊભા રાખ્યા. દાવિદ રાજાએ ઉપયોગમાં લીધેલાં વાજિંત્રો જેવાં એ વાજિંત્રો હતાં. યજ્ઞકારો પણ રણશિંગડાં લઈ ઊભા હતા. હિઝકિયાએ દહનબલિ અર્પણ કરવાનો હુકમ કર્યો, અને એ દહનબલિ ચડાવવાનું શરૂ થતાં જ લોકોએ પ્રભુની સ્તુતિનાં ગીત ગાયાં અને સંગીતકારોએ ઇઝરાયલના રાજા દાવિદનાં વાજિંત્રો અને રણશિંગડાં વગાડયાં. આખા સમુદાયે આરાધના કરી, ગવૈયાઓએ ગીતો ગાયાં અને રણશિંગડાં વગાડવામાં આવ્યાં. બધાં બલિદાન અપાઈ રહ્યાં ત્યાં સુધી ગાયનવાદન ચાલુ રહ્યું. ત્યારે હિઝકિયા રાજા અને સર્વ લોકોએ ધૂંટણિયે પડીને ઈશ્વરની આરાધના કરી. રાજાએ અને લોકોના આગેવાનોએ લેવીઓને દાવિદ અને સંદેશવાહક આસાફે લખેલાં સ્તોત્ર ગાવા કહ્યું. સૌ લોકોએ પૂરા આનંદથી ગીત ગાયાં અને તેમણે ધૂંટણો પર રહીને અને ભૂમિ પર શિર ટેકવીને ઈશ્વરની સ્તુતિ કરી. હિઝકિયાએ લોકોને કહ્યું, “હવે તમે પ્રભુને સમર્પિત થયા હોઈ આગળ આવીને પ્રભુને બલિદાનો અને આભારબલિનાં અર્પણ ચડાવો.” એ પ્રમાણે તેઓ અર્પણો લાવ્યા અને કેટલાક તો સ્વૈચ્છિક રીતે દહનબલિ માટે પશુઓ પણ લાવ્યા. પ્રભુને દહનબલિ ચડાવવા તેઓ સિત્તેર આખલા, સો ઘેટાં અને બસો હલવાન લાવ્યા. તેઓ લોકોને ખાવા માટે છસો આખલા અને ત્રણ હજાર ઘેટા પણ બલિદાન અર્થે લાવ્યા. આ બધાં પશુઓ કાપવા પોતાને વિધિગત રીતે શુદ્ધ રાખવા સંબંધમાં પૂરતી સંખ્યામાં યજ્ઞકારો ઉપલબ્ધ ન હોઈ, કામ પૂર્ણ થયું ત્યાં સુધી લેવીઓએ તેમને મદદ કરી. દરમ્યાનમાં, બીજા વધારાના યજ્ઞકારોએ પોતાને શુદ્ધ કર્યા. (યજ્ઞકારોની સરખામણીમાં પોતાને શુદ્ધ રાખવામાં લેવીઓ વિશેષ વિશ્વાસુ હતા). પૂર્ણ દહનબલિનાં અર્પણો ઉપરાંત માત્ર ચરબીનું જ દહન કરવાનું હોય તેવાં સંગતબલિ અને દ્રાક્ષાસવના પેયાર્પણ મોટા પ્રમાણમાં ચડાવવાની જવાબદારી પણ યજ્ઞકારોની હતી. એમ પ્રભુના મંદિરમાં ફરીથી ભક્તિની શરૂઆત થઈ. હિઝકિયા રાજા અને લોકો ખૂબ જ આનંદમાં હતા. કારણ, ઈશ્વરે તેમને એ બધી કાર્યવાહી જલદી પૂરી કરવામાં સહાય કરી હતી. હિઝકિયા રાજાએ ઇઝરાયલ અને યહૂદિયાના લોકોને સંદેશો પાઠવીને તેમ જ એફ્રાઈમ તથા મનાશ્શાનાં કુળોને પત્રો પાઠવીને ઇઝરાયલના ઈશ્વર પ્રભુના સન્માન અર્થે પાસ્ખાપર્વ ઉજવવા યરુશાલેમમાં પ્રભુના મંદિરમાં આવવા આમંત્રણ મોકલ્યું. હિઝકિયા રાજાએ, તેના સૂબાઓએ અને યરુશાલેમના નગરજનોએ એ પર્વ બીજા માસમાં ઉજવવાનું નક્કી કર્યું હતું. તેઓ નિયત સમયે પ્રથમ માસમાં પાસ્ખાપર્વ ઊજવી શક્યા નહોતા; કારણ, યજ્ઞકારોએ પોતાને વિધિગત રીતે શુદ્ધ કર્યા ન હોઈ, પૂરતી સંખ્યામાં યાજકો ઉપલબ્ધ નહોતા અને લોકો તો મોટી સંખ્યામાં યરુશાલેમમાં એકઠા થતા. રાજાને અને લોકોને એ વ્યવસ્થા પસંદ પડી. આથી તેમણે ઉત્તરમાં દાનથી દક્ષિણમાં બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓને ઇઝરાયલના ઈશ્વર પ્રભુના પાસ્ખાપર્વની ઉજવણી માટે યરુશાલેમમાં એકઠા થવા આમંત્રણ પાઠવ્યું. રાજા અને તેના અમલદારોના આદેશથી સમગ્ર યહૂદિયા અને ઇઝરાયલમાં એવી જાહેરાત કરવા સંદેશકો નીકળી પડયા. તેમણે રાજાના ફરમાન પ્રમાણે કહ્યું, “હે આશ્શૂરના રાજાઓના પંજામાંથી બચી ગયેલા ઇઝરાયલી લોકો, તમે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરો, એટલે તે પણ તમારી તરફ પાછા ફરશે. તમે તમારા પૂર્વજો અને તમારા સાથી ઇઝરાયલીઓ જેવા બનશો નહિ; તેઓ તો આપણા ઈશ્વર પ્રભુને બેવફા નીવડયા હતા. તમે જુઓ છો કે તેમણે તેમને સખત શિક્ષા કરી છે. તમે તેમના જેવા અક્કડ વલણના ન થાઓ; પણ પ્રભુને આધીન થાઓ. યરુશાલેમનું મંદિર જેને તમારા ઈશ્વર પ્રભુએ સદાને માટે પવિત્ર કર્યું છે ત્યાં આવો, અને તેમનું ભજન કરો કે જેથી તમારા પરનો તેમનો ઉગ્ર કોપ શમી જાય. તમે પ્રભુ તરફ પાછા ફરશો તો તમારા સગાંસંબંધીઓને કેદીઓ તરીકે લઈ જનાર તેમની દયા ખાશે અને તેમને પાછા ઘેર મોકલી દેશે. તમારા ઈશ્વર પ્રભુ દયાળુ અને કૃપાવંત છે, અને તમે તેમની પાસે પાછા ફરશો, તો તે તમારો સ્વીકાર કરશે.” સંદેશકો એફ્રાઈમ અને મનાશ્શાના પ્રદેશોનાં સઘળાં નગરોમાં અને ઉત્તરમાં છેક ઝબુલૂન કુળના પ્રાંત સુધી ગયા, પણ લોકોએ તેમને હસી કાઢયા અને તેમનો તિરસ્કાર કર્યો. છતાં આશેર, મનાશ્શા અને ઝબુલૂનના કુળના કેટલાક લોકો યરુશાલેમ જવા તત્પર થયા. પ્રભુના ફરમાવ્યા મુજબ રાજા અને તેના અધિકારીઓએ જે આદેશ આપ્યા તે પ્રમાણે કરવાને ઈશ્વરના પરાક્રમી પ્રભાવે યહૂદિયાના લોકોને એકદિલ કર્યા. બીજા માસમાં ખમીરરહિત રોટલીનું પર્વ ઉજવવા યરુશાલેમમાં પુષ્કળ લોકો એકત્ર થયા. તેમણે યરુશાલેમમાંની બધી વિધર્મી યજ્ઞવેદીઓ અને ધૂપવેદીઓ તોડી પાડીને તેમને કિદ્રોનની ખીણમાં નાખી દીધી. બીજા માસને ચૌદમે દિવસે તેમણે પાસ્ખાયજ્ઞ માટે હલવાન કાપ્યાં. એ જોઈને વિધિગત રીતે શુદ્ધ નહિ થયેલ યજ્ઞકારો અને લેવીઓ એવા શરમાઈ ગયા કે તેમણે પ્રભુને પોતાનું સમર્પણ કર્યું, અને તેથી તેઓ હવે પ્રભુના મંદિરમાં દહનબલિ લાવ્યા. ઈશ્વરભક્ત મોશેના નિયમશાસ્ત્રમાં આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ પોતાની ફરજ પર નિયત સ્થાને ઊભા રહ્યા. લેવીઓના હાથમાંથી બલિદાનનું રક્ત લઈને યજ્ઞકારોએ તેનો વેદી પર છંટકાવ કર્યો. ઘણા લોકો વિધિગત રીતે શુદ્ધ નહિ હોવાથી તેઓ પાસ્ખાયજ્ઞનાં હલવાન કાપી શક્યા નહિ, તેથી લેવીઓએ તેમને માટે તે કાપ્યાં અને પ્રભુને હલવાનોનું સમર્પણ કર્યું વળી, એફ્રાઈમ, મનાશ્શા, ઇસ્સાખાર અને ઝબુલૂનનાં કુળોમાંથી આવેલ કેટલાક વિધિગત રીતે શુદ્ધ નહિ હોવા છતાં પાસ્ખાપર્વ પાળતા હતા. હિઝકિયાએ તેમને માટે આવી પ્રાર્થના કરી. “ઓ પ્રભુ, અમારા પૂર્વજોના ઈશ્વર, જેઓ પવિત્રસ્થાનના નિયમ પ્રમાણે વિધિગત રીતે શુદ્ધ થયા નથી. પણ દયની પૂરી નિષ્ઠાથી તમારું ભજન કરી રહ્યા છે તેમને તમારી ભલાઈ પ્રમાણે ક્ષમા કરો.” પ્રભુએ હિઝકિયાની પ્રાર્થના સાંભળી ને તેમણે લોકોને ક્ષમા આપી અને તેમને કંઈ નુક્સાન કર્યું નહિ. યરુશાલેમમાં એકત્ર થયેલા લોકોએ સાત દિવસ સુધી મોટા આનંદ સાથે ખમીરરહિત રોટલીનું પર્વ પાળ્યું અને લેવીઓ અને યજ્ઞકારો પૂરા ઉત્સાહથી રોજરોજ પ્રભુનાં સ્તુતિ ગીત ગાતા હતા. પ્રભુની સેવાભક્તિમાં લેવીઓની કુશળતા જોઈ હિઝકિયાએ તેમની પ્રશંસા કરી. તેમણે સંગતબલિ ચડાવ્યા અને તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની આભારસ્તુતિ સહિત પર્વમાં સાતેય દિવસ મિજબાની કરી. વળી, લોકોએ બીજા સાત દિવસ પર્વ ઉજવવાનો નિર્ણય કર્યો. તેમણે આનંદભેર એ ઉજવણી કરી. યહૂદિયાના રાજા હિઝકિયાએ લોકોને ખાવા માટે હજાર આખલા અને સાત હજાર ઘેટાં આપ્યાં, અને અમલદારોએ બીજા એક હજાર આખલા અને દસ હજાર ઘેટાં આપ્યાં. ઘણા યજ્ઞકારોએ પોતાને વિધિગત રીતે શુદ્ધ કર્યા. તેથી યહૂદિયાના લોકો, યજ્ઞકારો, લેવીઓ, ઉત્તરના ઇઝરાયલી રાજ્યમાંથી આવેલા લોકો અને ઇઝરાયલ તથા યહૂદિયામાં ઠરીઠામ થઈ વસેલા પરદેશીઓ સૌ કોઈ ખુશ ખુશ થઈ ગયા. યરુશાલેમ નગરમાં આનંદ આનંદ થઈ રહ્યો; કારણ, દાવિદના પુત્ર શલોમોન રાજાના સમય પછી એના જેવો ઉત્સવ ક્યારેય થયો નહોતો. યજ્ઞકારો અને લેવીઓએ લોકો પર પ્રભુનો આશીર્વાદ માગ્યો. પ્રભુએ પોતાના નિવાસસ્થાન આકાશમાંથી તેમની પ્રાર્થનાઓ સાંભળીને સ્વીકારી. પર્વની ઉજવણી પૂરી થઈ એટલે ઇઝરાયલી લોકો યહૂદિયાના સર્વ નગરોમાં ગયા. ત્યાં તેમણે પથ્થરના સ્તંભો તોડી પાડયા, અશેરાહ દેવીની પ્રતિમાઓ કાપી નાખી અને વેદીઓ તેમજ પૂજાનાં ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો. યહૂદિયાના બાકીના પ્રદેશમાં અને બિન્યામીન, એફ્રાઈમ અને મનાશ્શાના કુળપ્રદેશોમાં પણ તેમણે એમ જ કર્યું. પછી તેઓ સૌ પોતપોતાને ઘેર ગયા. હિઝકિયા રાજાએ યજ્ઞકારો અને લેવીઓનાં વિવિધ સેવા પ્રમાણે જૂથ પાડયાં અને સૌને ફરજ વહેંચી આપી. આ ફરજોમાં દહનબલિ અને સંગતબલિ ચડાવવાં, પ્રભુના મંદિરની આરાધનામાં ભાગ લેવો અને મંદિરના જુદા જુદા ભાગમાં આભારસ્તુતિ કરવી વગેરેનો સમાવેશ થતો હતો. હિઝકિયા રાજા દરરોજ સવારે અને સાંજે ચડાવવાના દહનબલિ માટે અને સાબ્બાથદિને, ચાંદ્રમાસને પ્રથમ દિવસે તેમજ પ્રભુના નિયમશાસ્ત્રમાં ઠરાવેલ અન્ય પર્વોએ અર્પણ ચડાવવા માટે પોતાનાં ઢોરઢાંકમાંથી પશુઓ પૂરાં પાડતો. વિશેષમાં રાજાએ યરુશાલેમના લોકોને યજ્ઞકારો અને લેવીઓ માટે ઠરાવેલ અર્પણો લાવવા જણાવ્યું; જેથી તેઓ પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે સેવાની સર્વ કામગીરી માટે સમય આપી શકે. એ આદેશ બહાર પડતાં જ ઇઝરાયલી લોકો અનાજ, દ્રાક્ષાસવ, ઓલિવ-તેલ, મધ અને અન્ય ખેતપેદાશોની ભેટ લાવ્યા. તેઓ પ્રત્યેક વસ્તુનો દશાંશ પણ લાવ્યા. યહૂદિયાના રાજ્યનાં સર્વ નગરના રહેવાસીઓ તેમનાં ઢોરઢાંક અને ઘેટાંનો દશાંશ લાવ્યા. પ્રભુ તેમના ઈશ્વરને તેમણે સમર્પિત કરેલી ભેટો પણ પુષ્કળ પ્રમાણમાં લાવ્યા. ત્રીજા માસમાં ભેટો આવવાની શરૂ થઈ અને સાતમા માસના અંત સુધી ખડક્તી રહી. લોકો જે ભેટો લાવ્યા તે જોઈને હિઝકિયા રાજા અને તેના અમલદારોએ પ્રભુની સ્તુતિ કરી અને ઇઝરાયલી લોકોની પ્રશંસા કરી. રાજાએ યજ્ઞકારો અને લેવીઓ સાથે એ ભેટો સંબંધી મંત્રણા કરી. સાદોકના વંશજ પ્રમુખ યજ્ઞકાર અઝાર્યાએ તેને કહ્યું, “લોકોએ પ્રભુના મંદિરમાં ભેટો લાવવાની શરૂઆત કરી ત્યારથી અમારે ખાવાને માટે અમને પૂરતો ખોરાક મળ્યો છે અને વળી આટલું બધું વયું છે. પ્રભુએ પોતાના લોકોને આશીર્વાદ આપ્યો હોઈ આ બધું એકત્ર થયેલું છે.” રાજાના આદેશથી તેમણે પ્રભુના મંદિરમાં કોઠારો તૈયાર કરાવ્યા. તેમાં તેમણે નિયત અર્પણો, દશાંશો અને સમર્પિત ભેટો રાખ્યાં. તેમણે કોનાન્યા નામના લેવીને તેની દેખરેખની જવાબદારી સોંપી અને તેના ભાઈ શિમઈને તેનો સહાયકારી રાખ્યો. તેમના હાથ નીચે કામ કરવા યહિયેલ, અઝાઝયા, નાહાથ, આસાહેલ, યરીમોથ, યોઝાબાદ, એલિયેલ, ઈશ્માલ્યા, માહાથ અને બનાયા એ દસ લેવીઓને રાખ્યા. હિઝકિયા રાજા અને પ્રમુખ યજ્ઞકાર અઝાર્યાની સત્તાની રુએ એ નિમણૂંકો કરવામાં આવી. પ્રભુને આપવામાં આવતો નિયત ફાળો સ્વીકારવાની અને પવિત્ર અર્પણોમાંથી તેમને વહેંચી આપવાની જવાબદારી મંદિરના પૂર્વ દરવાજાના મુખ્ય સંરક્ષક લેવી એટલે, યિમ્નાના પુત્ર કોરેની હતી. યજ્ઞકારોની વસાહતનાં નગરોમાં કોરેને તેના એ કાર્યમાં મદદ કરનાર લેવીઓમાં એદેન, મિન્યામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા અને શકન્યા હતા. તેઓ નાના કે મોટા સર્વ સાથી લેવીઓને તેમની સેવાના જૂથ પ્રમાણે ખોરાક વહેંચી આપતા. એ વહેંચણી તેમની વંશાવળી પ્રમાણે નહોતી. પ્રભુના મંદિરમાં સેવાના જૂથ પ્રમાણે દૈનિક જવાબદારી ઉઠાવનાર ત્રીસ વર્ષ કે તેની વધુ ઉંમરના બધા લેવી પુરુષોને તેમનો હિસ્સો મળતો. યજ્ઞકારોને તેમના ગોત્ર પ્રમાણે ફરજ સોંપાઈ હતી, જ્યારે વીસ વર્ષ કે તેથી વધારે ઉંમરના લેવીઓને તેમનાં સેવાકાર્યોનાં જૂથ પ્રમાણે ફરજ સોંપાઈ હતી. તેઓ સૌની તેમનાં પત્ની, બાળકો અને અન્ય આશ્રિતો સહિત નોંધણી કરવામાં આવી હતી, કારણ, તેમને ગમે તે સમયે પવિત્ર સેવાકાર્ય બજાવવા તૈયાર રહેવું પડતું. આરોનના વંશજોને અપાયેલાં નગરો કે એ નગરોના ગૌચરોમાં વસતા યજ્ઞકારોમાં પણ યજ્ઞકાર કુટુંબના સર્વ પુરુષોને અને લેવીના ગોત્રોની વંશાવળીમાં નોંધાયેલ પ્રત્યેકને ખોરાક વહેંચી આપનાર માણસો હતા. હિઝકિયા રાજાએ સમગ્ર યહૂદિયામાં તેના ઈશ્વર પ્રભુની દૃષ્ટિમાં જે સાચું અને તેમને પસંદ પડતું હતું તે જ કર્યું. તેણે પોતાના ઈશ્વર પ્રત્યે દયની પૂરી નિષ્ઠા દાખવીને નિયમ અને આજ્ઞાઓ અનુસાર ઈશ્વરના મંદિરમાંની સેવાને લગતું જે કામ ઉપાડયું તે તેણે સફળતાપૂર્વક પાર પાડયું. હિઝકિયા રાજાએ પ્રભુની નિષ્ઠાપૂર્વક સેવા બજાવી. એ પછી આશ્શૂરના સાનહેરિબે યહૂદિયા પર આક્રમણ કર્યું. તેણે કિલ્લેબંધીવાળાં નગરોને ઘેરો ઘાલ્યો અને તેનો ઈરાદો એ નગરોને જીતી લેવાનો હતો. હિઝકિયાએ જોયું કે સાનહેરિબનો ઈરાદો યરુશાલેમ પર હુમલો કરવાનો છે, તેથી આશ્શૂરીઓ યરુશાલેમ નજીક આવે, ત્યારે આશ્શૂરીઓને અટકાવવા તેણે અને તેના અમલદારોએ નગર બહારનો પાણીનો પુરવઠો કાપી નાખવા નિર્ણય કર્યો. અમલદારોએ લોકોને મોટી સંખ્યામાં બહાર લઈ જઈને બધા ઝરણાંઓ પૂરી દીધાં કે જેથી તેમાંથી પાણી હેતું બંધ થઈ જાય. *** રાજાએ કોટનું સમારકામ કરાવી તે પર બુરજો બંધાવ્યા અને બહારની દીવાલ બાંધી શહેરની સંરક્ષણની વ્યવસ્થા મજબૂત બનાવી. વળી, તેણે યરુશાલેમના પ્રાચીન ભાગની પૂર્વ બાજુની જમીન પર બાંધેલા સંરક્ષણકામનું સમારકામ કરાવ્યું. તેણે પુષ્કળ ભાલા અને ઢાલો પણ બનાવડાવ્યાં. તેણે શહેરના બધા પુરુષોને સૈન્યના અમલદારો હસ્તક મૂક્યા અને તેમને નગરના દરવાજે ખુલ્લા ચોકમાં એકઠા થવા હુકમ આપ્યો. તેણે તેમને કહ્યું, “દૃઢ અને હિંમતવાન બનો અને આશ્શૂરના સમ્રાટથી કે તેના સૈન્યથી ગભરાશો નહિ કે નાસીપાસ થશો નહિ; તેના પક્ષ કરતાં આપણો પક્ષ વધુ મજબૂત છે. તેની પાસે માનવી શક્તિ છે, પણ આપણે પક્ષે તો આપણને સહાય કરવા અને આપણી લડાઈઓ લડવા આપણા ઈશ્વર પ્રભુ છે.” રાજાના આવા શબ્દોથી લોકોને પ્રોત્સાહન મળ્યું. હજી તો સાનહેરિબ તેના વિશાળ સૈન્ય સાથે લાખીશમાં હતો ત્યારે કેટલાક સમય બાદ તેણે હિઝકિયા અને યરુશાલેમમાં વસતા યહૂદિયાના લોકો પર આવો સંદેશો મોકલ્યો: “હું આશ્શૂરનો સમ્રાટ સાનહેરિબ તમને પૂછું છું કે તમે શાને ભરોસે ઘેરા હેઠળના યરુશાલેમમાં ભરાઈ બેઠા છો? અમારાથી તમને તમારા ઈશ્વર પ્રભુ બચાવશે એમ કહીને હિઝકિયા તમને છેતરે છે અને તમને ભૂખે અને તરસે મરવા દેશે. તેણે પ્રભુની ભક્તિનાં ઉચ્ચસ્થાનો અને વેદીઓ તોડી નંખાવ્યાં છે અને યહૂદિયા તથા યરુશાલેમના લોકોને એક જ વેદી આગળ ભજન કરવાનું અને ધૂપ બાળવાનું કહ્યું છે. મેં અને મારા પૂર્વજોએ અન્ય પ્રજાઓને શું કર્યું છે તે તમે નથી જાણતા? આશ્શૂરના સમ્રાટના હાથમાંથી કોઈના યે દેવે પોતાના લોકોને બચાવ્યા છે? એ દેશોના દેવોએ ક્યારે તેમના દેશને અમારાથી બચાવ્યા? હિઝકિયા તમને છેતરી ન જાય કે ગેરમાર્ગે દોરી ન જાય. તેનું માનતા નહિ. આશ્શૂરના સમ્રાટથી કોઈ પ્રજા કે દેશનો દેવ તેની પ્રજાને બચાવી શક્યો નથી, તો તમારો ઈશ્વર તમને ક્યાંથી બચાવવાનો છે?” આશ્શૂરના અમલદારોએ પ્રભુ પરમેશ્વર અને તેમના સેવક હિઝકિયા વિરુદ્ધ એથીય વિશેષ ભૂંડી વાતો કરી. સમ્રાટે લખેલો પત્ર ઇઝરાયલના ઈશ્વર પ્રભુનો તિરસ્કાર કરનાર હતો. એમાં લખ્યું હતું, “બીજા દેશોના દેવોએ તેમના લોકોને મારા હાથમાંથી બચાવ્યા નથી, અને હિઝકિયાનો ઈશ્વર પણ તેના લોકોને મારાથી બચાવી શકશે નહિ.” નગરના કોટ પરના યરુશાલેમના લોકોને ડરાવવા અને તેમને હતાશ કરવા અમલદારોએ હિબ્રૂમાં મોટે અવાજે એ કહ્યું, કે જેથી શહેરનો કબજો મેળવવામાં સરળતા રહે. યરુશાલેમના ઈશ્વર જાણે દુનિયાના અન્ય દેવોની જેમ માત્ર માનવ હાથે ઘડેલી મૂર્તિ હોય એ રીતે તેઓ બોલ્યા. પછી હિઝકિયા રાજા અને આમોસના પુત્ર સંદેશવાહક યશાયાએ આકાશવાસી ઈશ્વરને પ્રાર્થના કરી અને સહાયને માટે તેમને પોકાર કર્યો. પ્રભુએ પોતાના દૂતને મોકલ્યો. જેણે આશ્શૂરના સૈન્યના સૈનિકો અને અમલદારોને મારી નાખ્યા. તેથી આશ્શૂરનો સમ્રાટ લાંછન પામીને પાછો આશ્શૂર ચાલ્યો ગયો. એક દિવસે તે પોતાના દેવના એક મંદિરમાં હતો ત્યારે તેના જ પુત્રોએ તેને તલવારથી મારી નાખ્યો. એ રીતે પ્રભુએ આશ્શૂરના સમ્રાટ સાનહેરિબથી અને તેમના અન્ય શત્રુઓથી પણ હિઝકિયા રાજા અને યરુશાલેમના લોકોને બચાવ્યા. તેમણે લોકોને તેમના પડોશી દેશો તરફથી શાંતિ આપી. ઘણા લોકો પ્રભુને માટે અને હિઝકિયા માટે અર્પણો લઈ યરુશાલેમ આવતા. આમ, સર્વ પ્રજાઓમાં હિઝકિયાની કીર્તિ પ્રસરી ગઈ. એ સમય દરમ્યાન હિઝકિયા મરણતોલ માંદો પડયો. તેણે પ્રભુને પ્રાર્થના કરી અને તે સાજો થશે એ અંગે પ્રભુએ તેને નિશાની આપી. પણ પ્રભુએ તેને માટે જે કર્યું તેનો આભાર નહિ દર્શાવતાં તે ગર્વિષ્ઠ બન્યો અને તેથી યહૂદિયા અને યરુશાલેમ પર પ્રભુનો કોપ ઊતર્યો. પણ હિઝકિયા અને યરુશાલેમના લોકો નમ્ર થઈ ગયા અને તેથી હિઝકિયા મરણ પામ્યો ત્યાં સુધી પ્રભુએ તેમને શિક્ષા કરી નહીં. હિઝકિયા ખૂબ જ સંપત્તિ અને સન્માન પામ્યો. પોતાના સોના, ચાંદી, કિંમતી પાષાણો, અત્તરો, ઢાલો અને અન્ય મૂલ્યવાન સાધનસામગ્રી માટે તેણે સંગ્રહખંડ બનાવ્યા. વળી તેણે પોતાના અનાજ દ્રાક્ષાસવ, ઓલિવ તેલ માટે કોઠારો, ઢોરઢાંક માટે રહેઠાણ અને પોતાનાં ઘેટાં માટે વાડા બંધાવ્યા. એ સર્વ ઉપરાંત ઈશ્વરે તેને ઘેટાં અને ઢોરઢાંક તથા બીજું ધન આપ્યું કે તેણે ઘણાં નગરો બંધાવ્યાં. ગિહોનના ઝરણાંને બંધ કરી દઈ યરુશાલેમના કોટની અંદરના ભાગમાં પાણી વાળી લેવા ભૂગર્ભમાંથી સુરંગ કાઢનાર હિઝકિયા રાજા જ હતો. પોતે જે કંઈ કરતો તેમાં તે સફળ થતો. બેબિલોનના રાજદૂતો દેશમાં બનેલા અનન્ય બનાવની તપાસ કરવા આવ્યા ત્યારે પણ તેના ચારિયની ક્સોટી કરવા ઈશ્વરે હિઝકિયાને તેની પોતાની રીતે વર્તવા દીધો. હિઝકિયા રાજાના અમલના બીજા બનાવો અને તેનાં સર્ત્ક્યોની વિગતો આમોસના પુત્ર યશાયા સંદેશવાહકનાં સંદર્શનોમાં અને યહૂદિયા અને ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલી છે. હિઝકિયા રાજા મરણ પામ્યો અને તેને રાજવી કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં દફનાવામાં આવ્યો. યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકોએ હિઝકિયાને તેના મરણ વખતે મોટું સન્માન આપ્યું. તેનો પુત્ર મનાશ્શા તેના પછી રાજા બન્યો. મનાશ્શા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે બાર વર્ષની વયનો હતો, અને તેણે યરુશાલેમમાં પંચાવન વર્ષ રાજ કર્યું. પોતાના લોક દેશનો કબજો મેળવતા આગળ વયા તેમ તેમ દેશમાંથી પ્રભુએ જે પ્રજાઓને હાંકી કાઢી હતી તેમની ધિક્કારપાત્ર રીતરસમો અનુસરીને મનાશ્શાએ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. પોતાના પિતા હિઝકિયાએ તોડી પાડેલ પૂજાનાં ઉચ્ચસ્થાનો તેણે ફરી બાંધ્યાં. તેણે બઆલની ભક્તિ માટે વેદીઓ બાંધી, અશેરા દેવીની પ્રતિમાઓ બનાવી અને તારામંડળની ભક્તિ કરી. જ્યાં ઈશ્વર યાહવેને નામે તેમની સદા ભક્તિ કરવાની છે તે સ્થાનમાં, એટલે યરુશાલેમમાં પ્રભુના મંદિરમાં તેણે વિધર્મી વેદીઓ બાંધી. તેણે પ્રભુના મંદિરના બન્‍ને ચોકમાં તારામંડળની ભક્તિ માટે વેદીઓ બાંધી. તેણે બેનહિન્‍નોમની ખીણમાં પોતાના પુત્રોનાં દહનબલિ ચઢાવ્યાં. તેણે જોષ અને જાદુક્રિયાનો આશરો લીધો અને ભવિષ્યવેત્તાઓ અને ભૂતપ્રેતનો સંપર્ક સાયો. તેણે પ્રભુ વિરુદ્ધ અઘોર પાપો કરી તેમનો કોપ વહોરી લીધો. તેણે પ્રભુના મંદિરમાં પોતે બનાવડાવેલી મૂર્તિની સ્થાપના કરી. એ મંદિર વિષે તો ઈશ્વરે દાવિદને અને તેના પુત્ર શલોમોનને કહ્યું હતું કે, “ઇઝરાયલનાં બારેય કુળપ્રદેશોમાંથી મેં મારે નામે મારી આરાધના માટે યરુશાલેમમાંના આ મંદિરને પસંદ કર્યું છે. જો મારા લોક મારી આજ્ઞાઓ પ્રમાણે વર્તશે અને મારા સેવક મોશે દ્વારા અપાયેલ સર્વ નિયમો, આદેશો અને ફરમાનોનું પાલન કરશે, તો હું ઇઝરાયલીઓને તેમના પૂર્વજોને આપેલા દેશમાંથી તેમને કાઢી મૂકીશ નહિ.” પોતાના લોક દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ જે પ્રજાઓનો પ્રભુએ દેશમાંથી ઉચ્છેદ કર્યો હતો તેમના કરતાંય બદતર કૃત્યો મનાશ્શાએ યહૂદિયાના અને યરુશાલેમના લોકો પાસે કરાવ્યાં. પ્રભુએ મનાશ્શા અને તેના લોકોને ચેતવણી આપી, પણ તેમણે તે તરફ દુર્લક્ષ સેવ્યું. તેથી પ્રભુએ આશ્શૂરના રાજાના સેનાપતિઓ દ્વારા યહૂદિયા પર આક્રમણ કરાવ્યું. તેમણે મનાશ્શાને પકડયો, તેને કડીઓ પહેરાવી અને સાંકળે બાંધી બેબિલોન લઈ ગયા. મનાશ્શા સંકટમાં આવી પડયો એટલે તે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુ તરફ ફર્યો અને તેમની પ્રાર્થના કરી. ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી અને યરુશાલેમ જઈને ફરી રાજ કરી શકે તે માટે છોડાવ્યો. ત્યારે મનાશ્શાને ખાતરી થઈ કે પ્રભુ યાહવે જ ઈશ્વર છે. તે પછી મનાશ્શાએ દાવિદનગરને ગિહોનના ઝરણાની પશ્ર્વિમે ખીણમાં એક સ્થળેથી શરૂ કરી ઉત્તરમાં મચ્છી દરવાજા સુધી બીજો એક બહારનો કોટ બંધાવ્યો; અને નગરના ઓફેલ વિસ્તારને આવરી લેતા કોટની ઊંચાઈ વધારી. યહૂદિયાના પ્રત્યેક કિલ્લાવાળા નગરમાં તેણે સેનાધિકારીઓ મૂક્યા. તેણે પ્રભુના મંદિરમાં પોતે મૂકેલાં વિધર્મી દેવો અને મૂર્તિઓને તથા મંદિરના પર્વત પરની અને યરુશાલેમમાં અન્ય સ્થળોમાં બાંધેલી વિધર્મી વેદીઓને દૂર કર્યાં. તેણે એ બધું નગર બહાર ફેંકી દીધું. તેણે પ્રભુની આરાધના માટેની વેદી પણ સમારી, અને તે પર સંગતબલિ અને આભારબલિનાં અર્પણ ચડાવ્યાં અને ઇઝરાયલના ઈશ્વર પ્રભુની ભક્તિ કરવા યહૂદિયાના બધા લોકોને આજ્ઞા કરી. જો કે લોકોએ ભક્તિનાં અન્ય ઉચ્ચસ્થાનોએ બલિદાનો ચડાવવાનું ચાલુ રાખ્યું, પણ એ બલિદાનો તેઓ માત્ર પ્રભુને જ ચડાવતા હતા. મનાશ્શાના અમલના બીજા બનાવો, તેનાં કૃત્યો, ઈશ્વરને કરેલી તેની પ્રાર્થના, અને ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નામમાં તેને સંદેશો આપનાર સંદેશવાહકોના સંદેશા ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલા છે. રાજાની પ્રાર્થના અને ઈશ્વરે આપેલો તેનો જવાબ અને પશ્ર્વાતાપ કર્યા પહેલાં તેણે કરેલાં પાપ અને દુરાચારની વિગતો, તેણે બનાવેલાં પૂજાનાં ઉચ્ચસ્થાનો અને અશેરાની પ્રતિમાઓ, તેની મૂર્તિપૂજા એ બધું સંદેશવાહકોના ઇતિહાસમાં લખેલું છે. મનાશ્શા મૃત્યુ પામ્યો અને તેને તેના મહેલમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આમોન રાજા બન્યો. આમોન બાવીસ વર્ષની વયે યહૂદિયાનો રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં બે વર્ષ રાજ કર્યું. તેના પિતા મનાશ્શાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું અને જે મૂર્તિઓની પૂજા તેના પિતાએ કરી હતી તેની પૂજા તેણે પણ કરી. તે તેના પિતાની જેમ દીન બનીને પ્રભુ તરફ ફર્યો નહિ; પરંતુ ઉત્તરોઉત્તર અધિક પાપ કરતો ગયો. આમોનના અમલદારોએ તેની વિરુદ્ધ કાવતરું કરીને તેને તેના મહેલમાં જ મારી નાખ્યો. પણ યહૂદિયાના લોકોએ રાજાના ખૂનીઓને મારી નાખ્યા અને તેના પછી તેના પુત્ર યોશિયાને રાજા બનાવ્યો. યોશિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે આઠ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ રાજ કર્યું. તેણે પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું. ઈશ્વરના સઘળા નિયમો પાળીને તે તેના પૂર્વજ દાવિદને પગલે ચાલ્યો અને એના માર્ગને દૃઢતાપૂર્વક વળગી રહ્યો. યોશિયા હજી તો તેની કિશોરાવસ્થામાં હતો ત્યારે પોતાના અમલના આઠમે વર્ષે પોતાના પૂર્વજ દાવિદ રાજાના ઈશ્વરની આરાધના શરૂ કરી. ચાર વર્ષ પછી તેણે પૂજાનાં ઉચ્ચસ્થાનો, અશેરા દેવીની પ્રતિમાઓ અને અન્ય કોતરેલી કે ઢાળેલી મૂર્તિઓ તોડી નાખી ને તે યહૂદિયા અને યરુશાલેમને શુદ્ધ કરવા લાગ્યો. તેના માણસોએ બઆલની ભક્તિ કરવાની વેદીઓને અને તેની પાસેની ધૂપવેદીઓને ભાંગી નાખી. તેમણે અશેરાની પ્રતિમાઓ અને અન્ય કોતરેલી કે ઢાળેલી બધી મૂર્તિઓનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો અને એ ભૂક્કો એમને બલિદાન ચડાવનાર લોકોની કબરો પર વેરી દીધો. તેણે વિધર્મી યજ્ઞકારોનાં અસ્થિ તેમણે જ્યાં ભક્તિ કરી હતી એ વેદીઓ પર બાળી નાખ્યાં. આ પ્રમાણે તેણે યહૂદિયા અને યરુશાલેમનું વિધિગત શુદ્ધિકરણ કર્યું. મનાશ્શા, એફ્રાઈમ અને શિમયોનનાં નગરોમાં અને ઉત્તરમાં છેક નાફતાલી સુધીના ખંડિયેર વિસ્તારોમાં પણ તેણે એ જ પ્રમાણે કર્યું. ઉત્તરના ઇઝરાયલી રાજ્યના સમસ્ત વિસ્તારમાં તેણે વેદીઓ તોડી પાડી, અશેરાની પ્રતિમાઓ કાપી નાખી અને મૂર્તિઓને તથા સઘળી ધૂપવેદીઓને તોડી પાડી ભૂક્કો બોલાવ્યો. પછી તે યરુશાલેમ પાછો ફર્યો. વિધર્મી ભક્તિનો અંત લાવી દેશ અને પ્રભુના મંદિરનું શુદ્ધિકરણ કર્યા પછી પોતાના અમલને અઢારમે વર્ષે યોશિયા રાજાએ, અઝાલ્યાનો પુત્ર શાફાન, યરુશાલેમનો સૂબો માસેયા અને ઇતિહાસકાર યોહાઝનો પુત્ર યોઆ એ ત્રણ માણસોને પોતાના ઈશ્વર પ્રભુના મંદિરનું સમારકામ કરવા મોકલ્યા. લેવી સંરક્ષકોએ એફ્રાઈમ, મનાશ્શા અને ઉત્તરના રાજ્યના બાકીના લોકો પાસેથી તેમ જ યહૂદિયા, બિન્યામીન અને યરુશાલેમના લોકો પાસેથી જે રકમ પ્રભુના મંદિરમાં એકત્ર કરી હતી તે તેમણે મુખ્ય યજ્ઞકાર હિલકિયાને સોંપી. એ રકમ પછી પ્રભુના મંદિરના સમારકામ માટે જવાબદાર માણસોને સોંપવામાં આવી. તેમણે તે રકમ યહૂદિયાના રાજાઓએ જર્જરિત થઈ જવા દીધેલ મકાનોની મરામત માટે પથ્થરો અને ઈમારતી લાકડું ખરીદવા કડિયા અને સુથારોને આપી. કામ કરનાર માણસો પૂરેપૂરા પ્રામાણિક હતા. મરારીના ગોત્રના યાહાથ અને ઓબાદ્યા અને કહાથના ગોત્રના ઝખાર્યા અને મશુલ્લામ એ લેવીઓ તેમના કામ પર દેખરેખ રાખતા હતા. (બધા લેવીઓ નિપુણ સંગીતકારો હતા). બીજા લેવીઓ માલસામાનની હેરફેર પર અને જુદા જુદા કામના કારીગરો પર દેખરેખ રાખનાર હતા. તો કેટલાક લેવીઓ લહિયા, નોંધણીકારો કે મંદિરના સંરક્ષકો હતા. પ્રભુના મંદિરના ભંડારમાંથી નાણાં બહાર કાઢવામાં આવતાં હતાં ત્યારે મોશે દ્વારા ફરમાવવામાં આવેલ પ્રભુના નિયમશાસ્ત્રનું પુસ્તક હિલકિયાને મળી આવ્યું. તેણે રાજમંત્રી શાફાનને કહ્યું, “મને પ્રભુના મંદિરમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે.” તેણે તે પુસ્તક શાફાનને આપ્યું. શાફાન તે પુસ્તક રાજા પાસે લઈ ગયો. તેણે કહ્યું, “આપના આદેશ પ્રમાણે અમે બધું કામ કર્યું છે. પ્રભુના મંદિર માટે એકત્ર કરેલાં નાણાં કારીગરો અને દેખરેખ રાખનારાઓને આપ્યાં છે. વળી, હિલકિયાએ મને આ પુસ્તક આપ્યું છે.” પછી તેણે તે રાજા આગળ ઊંચે અવાજે વાંચી સંભળાવ્યું. રાજાએ પુસ્તકનું વાંચન સાંભળીને શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં. તેણે હિલકિયાને, શાફાનના પુત્ર અહિકામને, મિખાયાના પુત્ર આબ્દોનને, રાજમંત્રી શાફાનને અને રાજાના અનુચર અસાયાને આવો આદેશ આપ્યો: “જાઓ, મારે માટે અને ઇઝરાયલ અને યહૂદિયામાં હજુ બાકી રહેલા લોકો માટે પ્રભુને પૂછો. આ પુસ્તકના શિક્ષણ વિષે તપાસ કરો. આપણા પૂર્વજોએ પ્રભુનો સંદેશ માન્યો નથી અને આ પુસ્તકમાં આપેલી આજ્ઞાઓ પ્રમાણે કર્યું નથી, તેથી પ્રભુ આપણા પર અત્યંત કોપાયમાન થયા છે.” રાજાનો હુકમ થવાથી હિલકિયા અને બીજા માણસો હુલ્દા નામે એક સ્ત્રીને મળવા ગયા. તે સંદેશવાહિકા હતી અને યરુશાલેમના નવા વિસ્તારમાં રહેતી હતી. તેનો પતિ એટલે, હાસ્રાનો પૌત્ર અને તિકવાનો પુત્ર સાલ્લુમ મંદિરમાં ઝભ્ભાઓની જવાબદારી સંભાળતો હતો. તેમણે હુલ્દાને બધી વાત કરી. તેણે તેમને રાજા પાસે જવા, અને ઈશ્વર પ્રભુ તરફથી આ પ્રમાણેનો સંદેશો આપવા કહ્યું: “રાજા આગળ વાંચેલા પુસ્તકમાં લખેલા શાપથી હું યરુશાલેમ અને તેના સર્વ લોકોને શિક્ષા કરીશ. તેમણે મારો નકાર કર્યો છે અને અન્ય દેવોને બલિદાન આપ્યાં છે અને તેથી તેમનાં કાર્યોથી મારો રોષ ભભૂકી ઊઠયો છે. યરુશાલેમ વિરુદ્ધ મારો કોપ સળગી ઊઠયો છે, અને તે શમી જશે નહિ. પણ તમને પ્રભુ પાસે પૂછવા મોકલનાર રાજા માટે તો આ સંદેશ છે: ‘પુસ્તકનું લખાણ તેં સાંભળ્યું છે, અને યરુશાલેમ તથા તેના લોકને શિક્ષા કરવાની મારી ધમકી સાંભળીને તેં પશ્ર્વાતાપ કર્યો છે અને પસ્તાવામાં તારાં વસ્ત્ર ફાડયાં છે અને મારી આગળ રુદન કરીને તું દીન થઈ ગયો છે, તેથી મેં તારી પ્રાર્થના સાંભળી છે, અને યરુશાલેમ પર હું જે શિક્ષા લાવનાર છું તે તારા મરણ પછી જ આવશે, અને તે તારે જોવી પડશે નહિ. તું પોતે તો શાંતિપૂર્વક મૃત્યુ પામીશ.” પેલા માણસો એ સંદેશ લઈને યોશિયા રાજા પાસે પાછા ફર્યા. યોશિયા રાજાએ યહૂદિયાના અને યરુશાલેમના સઘળા આગેવાનોને બોલાવડાવ્યા, અને યજ્ઞકારો, લેવીઓ તથા બાકીના ગરીબ તવંગર બધા લોકો સાથે તેઓ પ્રભુના મંદિરે ગયા. રાજાએ સૌની આગળ પ્રભુના મંદિરમાંથી જડી આવેલ કરારનું સમગ્ર પુસ્તક મોટેથી વાંચ્યું. રાજા પોતે તો સ્તંભ પાસે ઊભો હતો. તેણે પ્રભુને આધીન થઈને પોતાના પૂરા દયથી અને પૂરા જીવથી તેમને અનુસરવા, તેમના નિયમો, આદેશો અને આજ્ઞાઓ પાળવા, અને પુસ્તકમાં લખ્યા પ્રમાણે કરારની માગણી વ્યવહારમાં મૂકવા પ્રભુ સાથે કરાર કર્યો. બિન્યામીનના લોકો અને યરુશાલેમમાં હાજર સૌ કોઈને કરાર પાળવાનું વચન લેવડાવ્યું. એમ તેઓ યરુશાલેમના તેમના પૂર્વજોના ઈશ્વર સાથે કરેલા કરારની માગણીઓને આધીન થયા. યોશિયા રાજાએ ઇઝરાયલી લોકોના પ્રદેશમાંથી સર્વ ધિક્કારપાત્ર મૂર્તિઓનો નાશ કર્યો અને તેમને તેમના ઈશ્વર પ્રભુની ભક્તિ તરફ દોર્યા અને તે જીવ્યો ત્યાંસુધી લોકો તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુને અનુસરતા રહ્યા. યોશિયા રાજાએ પ્રભુના સન્માનાર્થે યરુશાલેમમાં પાસ્ખાપર્વ ઊજવ્યું. પ્રથમ માસને ચૌદમે દિવસે પાસ્ખાનાં પશુ કાપવામાં આવ્યાં. તેણે યજ્ઞકારોને પ્રભુના મંદિરમાં તેમને બજાવવાની ફરજોની સોંપણી કરી અને તેમને પોતાની ફરજો સારી રીતે બજાવવા પ્રોત્સાહન આપ્યું. તેણે ઇઝરાયલને શિક્ષણ આપનાર અને પ્રભુને સમર્પિત થયેલા લેવીઓને આવી સૂચનાઓ આપી: “દાવિદના પુત્ર શલોમોન રાજાએ બંધાવેલ મંદિરમાં પવિત્ર કરારપેટી મૂકો. તમારે એને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા ઊંચકવાની નથી, પણ તમારે તમારા ઈશ્વર પ્રભુ અને તેમના લોકની સેવા કરવાની છે. દાવિદ રાજા અને તેના પુત્ર શલોમોન રાજાએ તમને જૂથવાર સોંપેલી જવાબદારી પ્રમાણે મંદિરમાં તમારું સ્થાન સંભાળો. અને ઇઝરાયલના પ્રત્યેક કુટુંબની મદદ થઈ શકે એ રીતે તમારામાંના કેટલાક ગોઠવાઇ જાઓ. તમારે પાસ્ખાયજ્ઞનાં હલવાન અને બકરાં કાપવાનાં છે. હવે વિધિગત રીતે શુદ્ધ થઈને તમારા સાથી-ઇઝરાયલીઓ પ્રભુએ મોશે દ્વારા આપેલી સૂચનાઓ પાળી શકે તે માટે અર્પણ તૈયાર કરો.” પાસ્ખાપર્વમાં લોકો માટે યોશિયા રાજાએ પોતાના અંગત પશુધનમાંથી ત્રીસ હજાર ઘેટાં, હલવાન અને લવારાં અને ત્રીસ હજાર આખલા આપ્યા. તેના અમલદારોએ પણ લોકો, યજ્ઞકારો અને લેવીઓ માટે સ્વેચ્છાપૂર્વક અર્પણ આપ્યાં. વળી, ઈશ્વરના મંદિરના વહીવટદારો એટલે પ્રમુખ યજ્ઞકાર હિલકિયા, ઝખાર્યા અને યેહિયેલે યજ્ઞકારોને બે હજાર છસો હલવાન અને લવારાં અને ત્રણસો આખલા પાસ્ખાના બલિદાન માટે આપ્યાં. લેવીઓના આગેવાનો કોનાન્યા, શમાયા અને તેનો ભાઈ નાથાનએલ, હસાબ્યા, યેઈએલ અને યોઝાબાદે બલિદાન માટે લેવીઓને પાંચ હજાર હલવાન અને લવારાં અને પાંચસો આખલા આપ્યા. પાસ્ખાપર્વ માટે સઘળી વ્યવસ્થા થઈ ગઈ એટલે રાજાની આજ્ઞા પ્રમાણે યજ્ઞકારો પોતપોતાને સ્થાને અને લેવીઓ જૂથ પ્રમાણે ઊભા રહ્યા. હલવાન અને લવારાં કપાયા પછી લેવીઓએ તેમનાં ચામડાં ઉતાર્યાં અને યજ્ઞકારોએ લેવીઓ પાસેથી રક્ત લઈને વેદી પર તેનો છંટકાવ કર્યો. પછી તેમણે લોકો વચ્ચે એ પ્રાણીઓ અને આખલાને કુટુંબવાર વહેંચી નાખ્યાં, જેથી મોશેના નિયમશાસ્ત્રમાં આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ તેમને ચડાવી શકે. લેવીઓએ નિયમ મુજબ પાસ્ખાયજ્ઞના બલિ અગ્નિ પર શેક્યા અને પવિત્ર અર્પણોને તપેલાં, કઢાઈઓ અને તાવડાઓમાં બાફી નાખી લોકોને ઝટપટ પીરસી દીધાં. એ કર્યા પછી લેવીઓએ પોતાને માટે તેમજ યજ્ઞકારો માટે માંસ રાખી લીધું; કારણ, આરોનવંશી યજ્ઞકારો છેક રાત સુધી પૂર્ણ દહનબલિ અને ધાન્યબલિની ચરબીનું દહન કરવામાં વ્યસ્ત રહ્યા. આસાફના ગોત્રના નીચે જણાવેલ લેવી સંગીતકારો દાવિદ રાજાની સૂચના પ્રમાણે તેમના નિયત સ્થાને ઊભા હતા: આસાફ, હેમાન, અને રાજાનો સંદેશવાહક યદૂથૂન. મંદિરના દરવાજાના રક્ષકોએ તેમનું સ્થાન છોડવાનું નહોતું, કારણ, બીજા લેવીઓ તેમને માટે પાસ્ખા બલિદાન તૈયાર કરતા હતા. આમ યોશિયા રાજાની આજ્ઞા પ્રમાણે પાસ્ખાપર્વની ઉજવણી માટે તથા પ્રભુની વેદી પર અર્પવાના દહનબલિ માટે પ્રભુની સેવાભક્તિ અંગેની બધી તૈયારી એ જ દિવસે થઈ ગઈ. હાજર રહેલા સર્વ ઇઝરાયલીઓએ પાસ્ખાપર્વ અને ખમીરરહિત રોટલીનું પર્વ સાત દિવસ સુધી પાળ્યું. શમૂએલ સંદેશવાહકના દિવસો પછી ઇઝરાયલમાં ક્યારેય આવી રીતે પાસ્ખાપર્વ પળાયું નહોતું. યોશિયા રાજાના અમલના અઢારમે વર્ષે યોશિયા રાજા, યજ્ઞકારો, લેવીઓ તેમજ યહૂદિયા, ઇઝરાયલ અને યરુશાલેમના લોકોએ જેવું પાસ્ખાપર્વ ઊજવ્યું તેવું અગાઉના કોઈ રાજાઓએ ઊજવ્યું નહોતું. *** યોશિયા રાજાએ પ્રભુના મંદિર માટે એ બધું કર્યું. તે પછી ઇજિપ્તનો રાજા નખો સૈન્ય લઈને યુફ્રેટિસ નદીના તટે આવેલા ર્ક્કમીશ પર લડવા આવ્યો. યોશિયાએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો, પણ નખોએ રાજદૂતો દ્વારા યોશિયાને આ સંદેશો પાઠવ્યો: “હે યહૂદિયાના રાજા, મારી આ લડાઈ તારી સાથે નથી. હું તારી સાથે નહિ, પણ મારા શત્રુઓ સાથે લડવા આવ્યો છું અને ઈશ્વરે મને ઉતાવળ કરવા કહ્યું છે. ઈશ્વર મારે પક્ષે છે તેથી તું તેમની ઇચ્છા વિરુદ્ધ આડખીલી ઊભી કરીશ નહિ, નહિ તો તે તારો વિનાશ કરશે.” પણ યોશિયા લડાઈ લડી લેવા મક્કમ હતો. ઈશ્વર નખો રાજા દ્વારા જે કહેતા હતા તે સાંભળવાનો તેણે નકાર કર્યો અને તે છુપાવેશે મગિદ્દોના મેદાનમાં લડવા ગયો. લડાઈમાં યોશિયા રાજા ઇજિપ્તના ધનુર્ધારીઓના તીરથી ઘવાયો. તેણે પોતાના સેવકોને કહ્યું, “મને અહીંથી લઈ જાઓ; મને કારી ઘા લાગ્યો છે.” તેઓ તેને રથમાંથી ઊંચકીને ત્યાં ઊભેલા બીજા એક રથમાં બેસાડીને યરુશાલેમ લાવ્યા. ત્યાં તે મૃત્યુ પામ્યો, અને તેને તેના પૂર્વજો સાથે રાજવી કબ્રસ્તાનમાં દફનાવ્યો. યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકોએ તેના મરણને લીધે શોક પાળ્યો. યર્મિયા સંદેશવાહકે યોશિયા રાજા માટે વિલાપગીત રચ્યું. તેના શોકમાં સ્ત્રી કે પુરુષ ગાયકોમાં આ ગીત ગાવાનો ઇઝરાયલમાં રિવાજ બની ગયો છે. વિલાપના ગીતસંગ્રહમાં એ ગીત છે. યોશિયાના અમલના બીજા બનાવો, ઈશ્વર પ્રત્યેની તેની નિષ્ઠા અને પ્રભુના નિયમશાસ્ત્ર પ્રત્યેની આધીનતા તથા આરંભથી અંત સુધીનાં તેનાં બીજા બધાં કાર્યો ઇઝરાયલના અને યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. યહૂદિયાના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને પસંદ કરીને યરુશાલેમમાં રાજા તરીકે તેનો અભિષેક કર્યો. યહોઆહાઝ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે ત્રેવીસ વર્ષની ઉંમરનો હતો અને તેણે યરુશાલેમમાં ત્રણ માસ રાજ કર્યું. ઇજિપ્તના રાજા નખોએ તેને યરુશાલેમના રાજા તરીકે પદભ્રષ્ટ કર્યો. યહૂદિયા પાસેથી ત્રણ હજાર ચારસો કિલો ચાંદી અને ચોત્રીસ કિલો સોનાની ખંડણી લીધી. નખોએ યહોઆહાઝના ભાઈ એલિયાકીમને યહૂદિયાનો રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. નખો યહોઆહાઝને ઇજિપ્ત લઈ ગયો. યહોયાકીમ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું. તેણે પોતાના ઈશ્વર પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા પર હુમલો કરી યહોયાકીમને પકડયો અને તેને સાંકળે બાંધી બેબિલોન લઈ ગયો. નબૂખાદનેસ્સાર પ્રભુના મંદિરના ખજાનામાંથી કેટલાંક પાત્રો લૂંટી ગયો અને તેને બેબિલોનમાં પોતાના રાજમહેલમાં રાખ્યાં. યહોયાકીમનાં ધિક્કારપાત્ર કાર્યો અને તેની ભૂંડાઈ સહિત તેનાં સર્વ કામો ઇઝરાયલ અને યહૂદિયાના ઇતિહાસમાં લખેલાં છે. તેના પછી તેનો પુત્ર યહોયાખીન રાજા બન્યો. યહોયાખીન યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે અઢાર વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં ત્રણ માસ અને દસ દિવસ રાજ કર્યું. તેણે પણ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. વસંતસંપાતને સમયે નબૂખાદનેસ્સાર રાજા યહોયાખીનને કેદ કરી બેબિલોન લઈ ગયો અને પ્રભુના મંદિરનો કીમતી ખજાનો પણ ઉપાડી ગયો. પછી નબૂખાદનેસ્સારે યહોયાખીનના ક્ક્ સિદકિયાને યહૂદિયા અને યરુશાલેમનો રાજા બનાવ્યો. સિદકિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષની ઉંમરનો હતો, અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું: તેણે પ્રભુની દૃષ્ટિએ અઘોર એવું પાપ કર્યું અને પ્રભુનો સંદેશ પ્રગટ કરનાર સંદેશવાહક યર્મિયાનું તેણે નમ્રપણે સાંભળ્યું નહિ. સિદકિયા રાજાએ નબૂખાદનેસ્સાર રાજાને વફાદાર રહેવા ઈશ્વરને નામે સોગંદ ખાધા હતા છતાં તેણે નબૂખાદનેસ્સાર વિરુદ્ધ બળવો કર્યો. તે જક્કી વલણનો હતો અને તેણે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તરફ ફરવાની હઠપૂર્વક ના પાડી. વળી, યહૂદિયાના આગેવાનો, યજ્ઞકારો અને લોકોએ મૂર્તિપૂજા કરીને તેમની આસપાસની પ્રજાઓનું અનુસરણ કર્યું. અને એમ પ્રભુએ પોતે યરુશાલેમના જે મંદિરને પવિત્ર કર્યુ હતું તેને અશુદ્ધ કર્યું. તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુ દયાળુ હોવાથી તે તેમને અને મંદિરને બચાવવા માગતા હતા તેથી પોતાના લોકોને ચેતવણી આપવા સંદેશવાહકોને વારંવાર મોકલતા રહ્યા. પણ તેઓએ ઈશ્વરની વાણી પ્રત્યે દુર્લક્ષ સેવ્યું અને તેમના સંદેશવાહકોની મશ્કરી ઉડાવી અને એમ ઈશ્વરના સંદેશવાહકોનો તિરસ્કાર કર્યો. છેવટે પોતાના લોકો પર પ્રભુનો કોપ એવો સળગી ઊઠયો કે કોઈ ઉપાય રહ્યો નહિ. તેથી પ્રભુએ ખાલદીઓના રાજા દ્વારા તેમના પર ચડાઈ કરાવી. તેણે યહૂદિયાના જુવાનોને પ્રભુના મંદિરમાં જ મારી નાખ્યા અને યુવાન કે યુવતી અથવા વૃદ્ધ કે અશક્ત કોઈના પર દયા રાખી નહિ. ઈશ્વરે તેમને સૌને તેના હાથમાં સોંપી દીધા હતા. ખાલદીઓના રાજાએ ઈશ્વરના મંદિરની, સાધનસામગ્રીની અને રાજા તથા તેના અમલદારોના ધનની લૂંટ ચલાવી અને એ બધું બેબિલોન લઈ ગયો. તેણે ઈશ્વરના મંદિરને બાળી નાખ્યું અને યરુશાલેમનો કોટ તોડી પાડયો. વળી, તેણે નગરના રાજમહેલોને તેમાંની સર્વ સંપત્તિ સહિત બાળી નાખ્યા. પછી યુદ્ધમાં બચી ગયેલા સૌને તે બેબિલોન લઈ ગયો, જ્યાં ઈરાની રાજ્યના ઉદય સુધી તેમણે તેની અને તેના વંશજોની તેમના ગુલામ તરીકે સેવા કરી. અને એમ પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા ભાખેલું ભવિષ્ય પૂરું થયું: “દેશ માટે પાળવામાં નહિ આવેલ સાબ્બાથોની સરભર કરવા માટે દેશ સિત્તેર વર્ષ ઉજ્જડ રહીને તેટલો વિશ્રામ ભોગવશે.” ઇરાનના સમ્રાટ કોરેશને પ્રથમ વર્ષે પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા આપેલ સંદેશ પૂર્ણ કર્યો. પ્રભુએ પ્રેરણા કર્યા પ્રમાણે કોરેશે પોતાના સમસ્ત સામ્રાજ્યમાં આવો આદેશ બહાર પાડયો: “ઈરાનના સમ્રાટ કોરેશનો આ હુકમ છે. આકાશના ઈશ્વર પ્રભુએ મને સમસ્ત દુનિયા પર શાસક બનાવ્યો છે અને યહૂદિયામાં યરુશાલેમમાં તેમને માટે મંદિર બાંધવાની મને આજ્ઞા કરી છે. તો હવે, ઈશ્વરના સૌ લોકો, તમે ત્યાં જાઓ, અને તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે રહો.” યર્મિયા સંદેશવાહક દ્વારા પ્રભુએ પ્રગટ કરેલો સંદેશ પૂર્ણ થાય તે માટે ઇરાનના સમ્રાટ કોરેશે પોતાના અમલના પ્રથમ વર્ષે પ્રભુની પ્રેરણા પ્રમાણે પોતાના સામ્રાજ્યમાં એક લેખિત આદેશ બહાર પાડયો અને તેની જાહેરાત કરાવી. તેનો આદેશ આ પ્રમાણે હતો: “ઈરાનનો સમ્રાટ હું કોરેશ પોતે આ આદેશ આપું છું. આકાશના ઈશ્વર પ્રભુએ મને સમગ્ર દુનિયાનાં રાજ્યો પર સત્તા આપી છે અને યહૂદિયામાંના યરુશાલેમમાં તેમને માટે મંદિર બાંધવાની જવાબદારી સોંપી છે. હે સર્વ પ્રજાજનો, તમારામાં પ્રભુના લોક છે. તેમના ઈશ્વર તેમની સાથે હો! તમે તેમને તેમના ઈશ્વરનું મંદિર ફરી બાંધવા યરુશાલેમ જવા દો. યાહવે જ સાચા ઈશ્વર છે. દેશનિકાલીમાં આવેલા લોકોમાંથી બાકી રહેલા પૈકી જે કોઈને ત્યાં પાછા ફરવું હોય તેમને તેમના પડોશીઓએ મદદ કરવી. તેમણે તેમને સોનું, રૂપું જરૂરી પુરવઠો અને પ્રાણીઓ તેમ જ યરુશાલેમમાં ઈશ્વરના મંદિરમાં ચડાવવા માટે અર્પણો આપવાં.” ત્યારે યહૂદા અને બિન્યામીનના કુળના ગોત્રોના આગેવાનો, યજ્ઞકારો, લેવીઓ તથા જેમના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી એવા સૌ કોઈ યરુશાલેમમાંના પ્રભુના મંદિરને ફરીથી બાંધવા માટે જવા તૈયાર થયા. તેમના સર્વ પડોશીઓએ તેમને ઘણી વસ્તુઓની મદદ કરી: રૂપાનાં પાત્રો, સોનું, સરસામાન, પ્રાણીઓ, અન્ય કિંમતી ચીજવસ્તુઓ અને મંદિર માટે અર્પણો આપ્યાં. નબૂખાદનેસ્સારે યરુશાલેમના પ્રભુના મંદિરમાંથી જે પાત્રો અને પ્યાલાઓ ઉપાડી લાવીને પોતાના દેવોના મંદિરમાં રાખ્યાં હતાં તે પણ સમ્રાટ કોરેશે તેમને મંગાવી આપ્યાં. રાજાના ખજાનાના મુખ્ય અધિકારી મિથ્રદાથે યહૂદિયાના રાજ્યપાલ શેશ્બાસ્સારને તે ગણીને આપ્યાં. તેમની યાદી આ પ્રમાણે હતી: અર્પણ માટેનાં સોનાનાં: પાત્રો... — 30 અર્પણ માટેનાં રૂપાનાં પાત્રો... — 1,000 અન્ય વિવિધ પાત્રો... — 29 સોનાના નાના પ્યાલા... — 30 રૂપાના નાના પ્યાલા... — 410 અન્ય પાત્રો... — 1,000 *** શેશ્બાસ્સાર અને અન્ય દેશનિકાલ થયેલાઓ બેબિલોનથી યરુશાલેમ પાછા ફર્યા ત્યારે શેશ્બાસ્સાર પોતાની સાથે સોનારૂપાંના જે પાત્રો લાવ્યો તે એકંદરે પાંચ હજાર ચારસો હતાં. બેબિલોનથી ઘણા બધા બંદીવાસીઓ યરુશાલેમ અને યહૂદિયામાં પોતપોતાના વતનમાં પાછા ફર્યા. નબૂખાદનેસ્સાર રાજા યહૂદિયાના લોકોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો ત્યારથી તેમનાં કુટુંબો ત્યાં વસતાં હતાં. તેઓ આ માણસોની આગેવાની હેઠળ પાછા ફર્યા: ઝરૂબ્બાબેલ, યહોશુઆ, નહેમ્યા, સરાયા, રેલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ બાઅના. દેશનિકાલમાંથી પાછા ફરેલાઓની તેમનાં કુટુંબો પ્રમાણે વંશજોની સંખ્યા નીચે મુજબ છે: પારોશ — 2,172 શફાટયા — 372 આરા — 775 પાહાથ-મોઆબ (યેશૂઆ અને યોઆબના વંશજો) — 2,812 એલામ — 1,254 ઝાત્તુ — 945 ઝાકક્ય — 760 બાની — 642 બેબાય — 623 આઝગાદ— 1,222 અદોનીકામ — 666 બિગ્વાય — 2,056 આદીન — 454 આટેર (હિઝકિયા) — 98 બેસાય — 323 યોરા — 112 હાશૂમ — 112 ગિબ્બાર — 95 *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** જેમના પૂર્વજો નીચે જણાવેલાં નગરોમાં વસતા હતા તેઓ પણ પાછા ફર્યા અને તેમની સંખ્યા આ પ્રમાણે હતી: બેથલેહેમ — 123 નટોફા — 56 અનાથોથ — 128 આઝમાવેથ — 42 કિર્યાથ-યારીમ, કફીરા અને બએરોથ — 743 રામા અને ગેબા — 621 મિખ્માસ — 122 બેથેલ અને આય — 223 નબો — 52 માગ્બીશ — 156 બીજું એલામ — 1,254 હારીમ — 320 લોદ, હાદીદ અને ઓનો — 725 યરીખો — 345 સનાઆ — 3,630 *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** દેશનિકાલમાંથી પાછા ફરેલા યજ્ઞકારોની સંખ્યા આ પ્રમાણે છે: યદાયા (યેશૂઆના) વંશજો — 973 ઇમ્મેરના વંશજો — 1,052 પાશહૂરના વંશજો — 1,247 હારીમના વંશજો — 1,017 *** *** *** લેવી વંશના પાછા ફરેલાઓની સંખ્યા આ પ્રમાણે છે: યેશુઆ તથા ક્દ્મીએલ (હોદાવ્યાના વંશજો) — 74 મંદિરના સંગીતકારો (આસાફના વંશજો) — 128 મંદિરના સંરક્ષકો (શાલૂમ, આટેર, શલ્મોન, આક્કુબ, હટીટા અને શોબાથના વંશજો) — 139 *** *** દેશનિકાલમાંથી પાછા ફરેલા મંદિરના સેવકો નીચેના વંશના હતા: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ; કેરોસ, સીઅહા અને પાદોન; લબાવ્ના, હગાબા અને આક્કૂબ; હાગ્ગાબ, શામ્લાય અને હાનાન; ગિદ્દેલ, ગાહાર અને રઆયા; રસીન, નકોદા અને ગાઝઝામ; ઉઝઝા, પાસેઆ અને બેસાય; આસ્ના, મેઉનીમ અને નફીસીમ; બાકબૂક, હાકૂફા અને હારહુર, બાસ્લૂથ, મહીદા અને હાર્શા; બાર્કોસ, સીસરા અને તેમા; નસીઆ અને હટીફા. *** *** *** *** *** *** *** *** *** *** *** દેશનિકાલમાંથી પાછા ફરેલા શલોમોનના સેવકો નીચેના વંશના હતા: સોટાય, હાસ્સોફેદેથ અને પરૂદા; યાઅલા, દાર્કોન અને ગિદ્દેલ શફાટયા, હાટ્ટીલ, પોખરેથ - હાસ્બાઈમ અને આમી. *** *** દેશનિકાલમાંથી પાછા ફરેલા મંદિરના સેવકો અને શલોમોનના સેવકોની કુલ સંખ્યા 392 હતી. તેલ-મેલા, તેલ-હાર્શા, ખરૂબ, અદ્દાન અને ઇમ્મેર નગરોમાંથી આવેલાની સંખ્યા 652 હતી. તેઓ દલાયા, ટોબિયા તથા નકોદના વંશજો હતા. પોતે ઇઝરાયલના વંશજો છે એવું તેઓ પુરવાર કરી શક્યા નહિ. *** યજ્ઞકારોનાં જે ગોત્રો પોતાની વંશાવળી માટે કોઈ પુરાવો મેળવી શક્યા નહિ તેમાં હબાયા, હાક્કોસ તથા બાર્ઝિલ્લાયના વંશજો હતા. (બાર્ઝિલ્લાય યજ્ઞકારોના ગોત્રના પૂર્વજે ગિલ્યાદના બાર્ઝિલ્લાય ગોત્રની સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું અને તેણે પોતાના સસરાના ગોત્રનું નામ ધારણ કર્યું હતું.) એ લોકો પોતાના પૂર્વજોની માહિતી આપી શક્યા નહિ; *** તેથી તેમનું યજ્ઞકારપદ માન્ય રાખવામાં આવ્યું નહિ. યહૂદી રાજ્યપાલે તેમને જણાવ્યું કે ઉરીમ અને થુમ્મીમ એ પવિત્ર પથ્થરોનો ઉપયોગ કરનાર યજ્ઞકાર નીમાય ત્યાં સુધી તેમણે ઈશ્વરને અર્પણ કરેલી વસ્તુઓમાંથી કંઈ જ ખાવું નહિ. દેશનિકાલમાંથી પાછા ફરેલાઓની કુલ સંખ્યા — 42,360 હતી. તેમના પુરુષ અને સ્ત્રી નોકરોની સંખ્યા — 7,337 હતી. પુરુષ અને સ્ત્રી સંગીતકારોની સંખ્યા — 200 હતી. ઘોડાઓ — 736 ખચ્ચર — 245 ઊંટ — 435 ગધેડાં — 6,720 *** *** *** તેઓ યરુશાલેમમાં પ્રભુના મંદિરમાં આવ્યા ત્યારે ગોત્રોના આગેવાનોએ મંદિરને તેના મૂળ સ્થાને ફરીથી બાંધવા માટે સ્વૈચ્છિક અર્પણો આપ્યાં. આ કાર્ય માટે તેમણે તેમનાથી શકાય હોય તેટલું આપ્યું: આશરે 500 કિલોગ્રામ સોનું, 290 કિલો રૂપું અને યજ્ઞકારો માટે 100 ઝભ્ભા એટલું આપ્યું. યજ્ઞકારો, લેવીઓ અને કેટલાક લોકો યરુશાલેમમાં કે તેની નજીકમાં વસ્યા; સંગીતકારો, મંદિરના સંરક્ષકો અને મંદિરના સેવકો નજીકના નગરોમાં વસ્યા; જ્યારે બાકીના ઇઝરાયલીઓ પોતપોતાના વતનનાં નગરોમાં જઈ વસ્યા. સાતમો માસ આવતા સુધીમાં તો બધા ઈઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં ઠરીઠામ થઈ ગયા. તે પછી તેઓ સૌ યરુશાલેમમાં એકદિલે એકઠા થયા, અને યોસાદાકનો પુત્ર યેશૂઆ તથા તેના સાથી યજ્ઞકારોએ તેમ જ શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ તથા તેના સાથી યજ્ઞકારોએ ઈશ્વરભક્ત મોશેના નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ પ્રમાણે વેદી પર દહનબલિ ચડાવવા માટે ઇઝરાયલના ઈશ્વરની વેદી ફરીથી બાંધી. તેમને આસપાસના લોકોનો ભય હોવા છતાં વેદીને તેના મૂળ સ્થાને જ બાંધી. તે પછી તેમણે સવારસાંજનાં નિયમિત બલિદાનો ચડાવવાનું ફરીથી ચાલુ કર્યું. નિયમની સૂચનાઓ પ્રમાણે તેમણે માંડવાપર્વ ઊજવ્યું. તે માટે પ્રત્યેક દિવસે નિયત બલિદાનો ચડાવ્યાં. તે ઉપરાંત નિત્યનાં દહનબલિ, ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વનાં અર્પણો અને સ્વૈચ્છિક અર્પણો તથા પ્રભુનાં નક્કી કરેલા સર્વ પર્વોના અર્પણો પણ પ્રભુને ચડાવ્યાં. મંદિરને ફરી બાંધવાનું કાર્ય હજી શરૂ કરવામાં આવ્યું નહોતું, પણ પ્રભુને દહનબલિ ચડાવવાનું તો તેમણે સાતમા માસના પ્રથમ દિવસથી જ શરૂ કર્યું. લોકોએ સલાટો અને સુથારોનું વેતન ચૂકવવા પૈસા આપ્યા અને સમુદ્રમાર્ગે યાફા સુધી લાવવાનાં લબાનોનનાં ગંધતરુનાં લાકડાં માટે તૂર અને સિદોન શહેરોને મોકલવા ખોરાકપાણી અને ઓલિવ તેલ આપ્યાં. એ બધું ઈરાનના સમ્રાટ કોરેશની પરવાનગી પ્રમાણે કરવામાં આવ્યું. દેશનિકાલ થયેલાઓ યરુશાલેમ પાછા ફર્યા તે પછીના બીજા વર્ષના બીજા માસમાં શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, સાથી યજ્ઞકારો તથા લેવીઓ તેમજ દેશનિકાલીમાંથી યરુશાલેમ પાછા આવેલા સૌએ પ્રભુના મંદિરને ફરી બાંધવાનું કામ શરૂ કર્યું. વીસ કે તેથી વધુ ઉંમરના લેવીઓને મંદિરના બાંધકામની દેખરેખ માટેની જવાબદારી સોંપવામાં આવી. તેથી યેશૂઆ, તેના પુત્રો તથા ભાઈઓ, ક્દ્મીએલ તથા તેના પુત્રો, (હોદાવ્યાનું ગોત્ર), તેમ જ લેવી હનાદાદ, તેના પુત્રો તથા ભાઈઓ એ સૌએ એકચિત્તે પ્રભુના મંદિરના બાંધકામની દેખરેખનું કામ સંભાળી લીધું. તેમણે મંદિરનો પાયો નાખ્યો તે વખતે યજ્ઞકારો પોતાના ઝભ્ભા પહેરીને અને હાથમાં રણશિંગડાં લઈને પોતપોતાના સ્થાનમાં ગોઠવાઈ ગયા. આસાફના ગોત્રના લેવીપુત્રો ઝાંઝ લઈને ઊભા હતા. દાવિદ રાજાએ આપેલી સૂચના પ્રમાણે તેમણે પ્રભુની સ્તુતિ કરી. તેમણે પ્રભુનું ભજન કરતાં સ્તોત્ર ગાયું અને તેમાં આ ટેકનો પુનરોચ્ચાર કર્યો: “પ્રભુ દયાળુ છે, અને ઇઝરાયલ પર તેમનો પ્રેમ સનાતન છે.” મંદિરના પાયા ઉપર કામ ચાલુ થઈ ગયું હોવાથી સૌએ મોટા પોકારસહિત પ્રભુનું ભજન કર્યું. ઘણા વયોવૃદ્ધ યજ્ઞકારો, લેવીઓ અને ગોત્રોના આગેવાનોએ પ્રથમનું મંદિર જોયું હતું. તેમણે જ્યારે મંદિરનો પાયો નંખાતો જોયો ત્યારે તેમણે પોક મૂકીને વિલાપ કર્યો. પણ બીજા કેટલાકે તો હર્ષનો પોકાર પાડયો. લોકોએ એવું બૂમરાણ મચાવ્યું હતું કે તેનો ઘોંઘાટ ઘણે દૂર સુધી સંભળાતો હતો, તેથી લોકોનો અવાજ રુદનનો છે કે આનંદનો એ કળવું મુશ્કેલ હતું. યહૂદિયા અને બિન્યામીનના લોકોના શત્રુઓએ સાંભળ્યું કે દેશનિકાલમાંથી પાછા ફરેલા લોકો ઇઝરાયલના ઈશ્વર પ્રભુનું મંદિર ફરીથી બાંધવા લાગ્યા છે. તેથી તેમણે ઝરૂબ્બાબેલ અને ગોત્રના આગેવાનો પાસે જઈને કહ્યું, “મંદિરના બાંધકામમાં અમે પણ તમારી સાથે જોડાઈશું. તમે જે ઈશ્વરનું ભજન કરો છો તેમને જ અમે ભજીએ છીએ; આશ્શૂરના રાજા એસાર-હાદ્દોને અમને અહીં જીવતા રાખી વસવા દીધા. ત્યારથી અમે એમને બલિદાનો ચડાવીએ છીએ.” ઝરુબ્બાબેલ, યેશૂઆ અને ગોત્રના આગેવાનોએ તેમને કહ્યું, “પ્રભુ, અમારા ઈશ્વરનું મંદિર બાંધવા માટે અમારે તમારી મદદની જરૂર નથી. પણ ઇરાનના સમ્રાટ કોરેશે અમને આપેલા આદેશ પ્રમાણે, અમે પોતે એને બાંધીશું.” દેશમાં વસતા લોકોએ યહૂદીઓને મંદિર બાંધતા અટકાવવાને તેમને હેરાન પરેશાન કર્યા. તેમની વિરુદ્ધ કામ કરવા ઇરાનના સરકારી અધિકારીઓને તેમણે લાંચ આપી. સમ્રાટ કોરેશ અને સમ્રાટ દાર્યાવેશના અમલ સુધી તેમણે તેમ કરવાનું ચાલુ રાખ્યું. સમ્રાટ અહાશ્વેરોશના અમલના પ્રારંભમાં જ યહૂદિયા અને યરુશાલેમમાં વસતા લોકો પર આરોપ મૂક્તો એક પત્ર તેમના શત્રુઓએ લખ્યો હતો. ફરીથી ઇરાનના સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળ દરમિયાન બિશ્લામ, મિથ્રદાથ, તાબએલ તથા તેમના સાથીઓએ સમ્રાટ પર પત્ર લખ્યો. પત્ર અરામી ભાષામાં લખવામાં આવ્યો હતો, અને વાંચતી વખતે તેનો અનુવાદ કરવાનો હતો. વળી, રાજ્યપાલ રહૂમ અને મંત્રી શિમ્શાઈએ પણ યરુશાલેમ સંબંધી સમ્રાટ આર્તાશાસ્તાને પત્ર લખ્યો: “રાજ્યપાલ રહૂમ, પ્રાંતના મંત્રી શિમ્શાઈ, તેમના સહકાર્યકરો અને ન્યાયાધીશો, અન્ય અધિકારીઓ જેઓ એરેખ, બેબિલોન, અને એલામ પ્રાંતના સુસાના મૂળવતનીઓ છે અને મહાન તથા પરાક્રમી અશૂર-બનીપાલે જેમને પોતાના વતનમાં લાવી સમરૂન નગર અને યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંતમાં વસાવ્યા એવા સર્વ લોકો તરફથી આ પત્ર છે. પત્ર આ પ્રમાણે છે: યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંતના લોકો, તમારા સેવકો તરફથી સમ્રાટ આર્તાશાસ્તા જોગ: નામદાર, અમે આપને જણાવવા માગીએ છીએ કે આપના અન્ય પ્રાંતોમાંથી અત્રે આવીને યરુશાલેમમાં વસેલા યહૂદીઓ દુષ્ટ અને બંડખોર શહેરને ફરીથી બાંધવા લાગ્યા છે. તેમણે કોટનું બાંધકામ ચાલુ કર્યું છે અને થોડા જ વખતમાં કોટ બંધાઈ જશે. નામદાર, જો આ શહેર ફરીથી બંધાશે અને તેની દીવાલો ચણાઈ જશે, તો આ પ્રજા કરવેરા ભરવાનું બંધ કરી દેશે અને તેથી રાજ્યની આવક ઘટી જશે. હવે, નામદાર, અમે તો આપના ઋણી છીએ અને આપનું આ રીતે અપમાન થાય એ અમને વાજબી જણાતું ન હોઈ, આપને હકીક્તથી વાકેફ કરીએ છીએ. તેથી આપ આપના પૂર્વજોના ઇતિહાસમાંથી આ શહેર વિષેની વિગતોની તપાસ કરાવો. એના પરથી આપને ખ્યાલ આવશે કે આ શહેર બંડખોર છે અને પ્રાચીન સમયથી જ રાજાઓ અને પ્રાંતના અધિકારીઓને હેરાન કરતું આવ્યું છે. તેના લોકોને કાબૂમાં રાખવાનું કાર્ય હમેશાં દુષ્કર બન્યું છે. આ જ કારણથી એ શહેરનો નાશ કરવામાં આવ્યો હતો. આથી અમે આપ નામદારને ખાતરીપૂર્વક જણાવીએ છીએ કે જો આ શહેર ફરી બંધાશે અને તેનો કોટ પૂરો થશે તો નદીની પશ્ર્વિમ તરફના પ્રદેશ પર આપની સત્તા રહેશે નહિ.” સમ્રાટે આવો જવાબ પાઠવ્યો: રાજ્યપાલ રહૂમ, પ્રાંતના મંત્રી શિમ્શાઈ તથા સમરૂન અને યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંતમાં વસેલા તેમના સહકાર્યકરોને શુભેચ્છા! તમે મોકલાવેલ પત્રનો અનુવાદ કરીને મારી સમક્ષ વાંચી સંભળાવવામાં આવ્યો છે. મારા આદેશ પ્રમાણે શોધખોળ કરવાથી જાણવા મળ્યું છે કે પ્રાચીન સમયથી જ યરુશાલેમ શહેરમાં રાજાઓ વિરુદ્ધ બળવા થતા રહ્યા છે. તેમાં હમેશાં બળવાખોરો અને તોફાનીઓ રહેતા આવ્યા છે. યરુશાલેમમાં પરાક્રમી રાજાઓએ યુફ્રેટિસ નદીની પશ્ર્વિમ તરફના પ્રાંત પર રાજ કરેલું છે અને લોકોએ તેમને કરવેરા ભર્યા છે. તેથી હું બીજો આદેશ ન કરું ત્યાં સુધી એ શહેરનું બાંધકામ અટકાવી દેવાનો હુકમ કરો. આ બાબતમાં જરાય વિલંબ કરશો નહિ, નહિ તો રાજ્યને વધારે નુક્સાન થશે.” આર્તાશાસ્તા રાજાનો આ પત્ર રાજ્યપાલ રહૂમ, પ્રાંતના મંત્રી શિમ્શાઈ તથા તેમના સહકાર્યકરોએ વાંચ્યો કે તેઓ તરત યરુશાલેમ પહોંચી ગયા અને યહૂદીઓને શહેરનું બાંધકામ અટકાવી દેવાની ફરજ પાડી. આમ, યરુશાલેમમાં પ્રભુના મંદિરનું બાંધકામ અટકી ગયું અને ઇરાનના સમ્રાટ દાર્યાવેશના શાસનકાળના છેક બીજા વર્ષ સુધી બંધ રહ્યું. યહૂદિયા અને યરુશાલેમમાં વસતા યહૂદીઓને સંદેશવાહકો હાગ્ગાય અને ઇદ્દોના પુત્ર ઝખાર્યાએ ઇઝરાયલના ઈશ્વર તરફથી સંદેશ પ્રગટ કર્યો. એ સંદેશ સાંભળીને શઆલ્તીએલના પુત્ર ઝરૂબ્બાબેલ અને યોસાદાકના પુત્ર યેશૂઆએ યરુશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિરનું બાંધકામ ફરીથી ચાલુ કર્યું અને બન્‍ને સંદેશવાહકોએ તેમને મદદ કરી. તેથી યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેમના સહકાર્યકરો તરત જ યરુશાલેમ આવ્યા અને તેમને પૂછપરછ કરી: “આ મંદિર અને કોટ બાંધવાની પરવાનગી તમને કોણે આપી?” વળી, તેમણે મંદિર બાંધનારાઓનાં નામ પણ જણાવવા કહ્યું. યહૂદી આગેવાનો પર ઈશ્વરની કૃપા હોવાથી એ અમલદારોએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી સમ્રાટ દાર્યાવેશને આ બાબતની જાણ કરવામાં ન આવે અને તે પછી તેમનો જવાબ ન મળે ત્યાં સુધી આ કામ અટકાવવું નહિ.” યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેમના સહકાર્યકરો પ્રાંતના અધિકારીઓએ સમ્રાટ દાર્યાવેશ પર આ પ્રમાણે પત્ર પાઠવ્યો: “હે સમ્રાટ દાર્યાવેશ, તમારા રાજમાં શાંતિ પ્રર્વતો! અમે યહૂદિયા ગયા હતા અને મહાન ઈશ્વરના મંદિરનું બાંધકામ ફરીથી મોટા પથ્થરો વડે અને દીવાલોમાં લાકડાં જડીને કરવામાં આવી રહ્યું છે તે અમે જોયું છે. બાંધકામ ખૂબ જ કાળજીપૂર્વક થાય છે અને આગળ વધી રહ્યું છે. “અમે તે લોકોના આગેવાનોને પૂછયું કે, ‘તમને આ મંદિર અને કોટ ફરી બાંધવાની પરવાનગી કોણે આપી?’ અમે તેમનાં નામ પણ પૂછયાં કે જેથી અમે આપને તેની યાદી મોકલી શકીએ. તેમણે અમને આ પ્રમાણે જવાબ આપ્યો: ‘અમે આકાશ અને પૃથ્વીના ઈશ્વરના સેવકો છીએ અને ઘણાં વર્ષો પૂર્વે ઇઝરાયલના એક મહાન રાજાએ જે મંદિર બંધાવેલું તેનું અમે ફરીથી બાંધકામ કરીએ છીએ. અમારા પૂર્વજોનાં કાર્યોથી આકાશના ઈશ્વર કોપાયમાન થયા હોવાથી તેમણે તેમને બેબિલોનના સમ્રાટ નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધા હતા. મંદિરનો નાશ કરી દેવાયો અને લોકો બેબિલોનમાં કેદી બનાવી લઈ જવાયા. પરંતુ ત્યારબાદ બેબિલોનના સમ્રાટ કોરેશે તેમના શાસનકાળના પ્રથમ વર્ષમાં મંદિરને ફરી બાંધવાનો હુકમ આપ્યો. વળી, સમ્રાટ કોરેશે યરુશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિરનાં જે પાત્રો સમ્રાટ નબૂખાદનેસ્સાર બેબિલોનના મંદિરમાં લઈ ગયેલા તે પણ પાંછા આપવાની આજ્ઞા કરી હતી. સમ્રાટ કોરેશે, જેને તેમણે યહૂદિયાના રાજ્યપાલ તરીકે નીમ્યો હતો તે શેશ્બાસ્સારને તે પાત્રો સોંપ્યાં હતાં. વળી, સમ્રાટે એવો આદેશ પણ કર્યો હતો કે આ પાત્રો યરુશાલેમના મંદિરમાં લઈ જવામાં આવે અને મંદિરને તેના મૂળ સ્થાને ફરીથી બાંધવામાં આવે. તેથી શેશ્બાસ્સારે યરુશાલેમ આવીને ઈશ્વરના મંદિરનો પાયો નાખ્યો, ત્યારથી બાંધકામ ચાલુ છે અને હજી પૂરું થયું નથી. “આથી નામદાર, અમારી આપને વિનંતી છે કે બેબિલોન રાજ્યના દફતર ભંડારમાં તપાસ કરાવો કે સમ્રાટ કોરેશે યરુશાલેમમાંનું મંદિર ફરી બાંધવાનો આદેશ આપેલો કે નહિ. તે પછી આ અંગે આપની શી ઇચ્છા છે તે પ્રમાણે અમને આદેશ આપશો.” સમ્રાટ દાર્યાવેશે બેબિલોન રાજ્યના દફતરભંડારમાં શોધ કરવાનો આદેશ આપ્યો. ત્યારે માદાય પ્રાંતના એકબાતાના શહેરમાંથી એક લેખ મળી આવ્યો. તેમાં આ પ્રમાણે નોંધ હતી: “સમ્રાટ કોરેશે પોતાના શાસનકાળના પ્રથમ વર્ષે એવો હુકમ આપ્યો કે બલિદાનો તથા અર્પણો ચડાવવાના સ્થાન યરુશાલેમના મંદિરને ફરીથી બાંધવું. તેના પાયા પર જ કામ કરવું અને મંદિર આશરે સત્તાવીશ મીટર ઊંચું અને સત્તાવીશ મીટર લાંબું રાખવું. તેની દીવાલોમાં પથ્થરના ત્રણ થર અને તેની ઉપર લાકડાનો એક થર રાખવો. તે માટેનો બધો ખર્ચ રાજભંડારમાંથી આપવો. યરુશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિરમાંથી નબૂખાદનેસ્સાર સોનારૂપાંનાં જે પાત્રો બેબિલોન લાવ્યો હતો તેમને યરુશાલેમના મંદિરમાં તેમના અસલ સ્થાને મૂકવા પાછાં મોકલી આપવાં.” ત્યારે સમ્રાટ દાર્યાવેશે નીચે પ્રમાણે જવાબ મોકલ્યો: “યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તે પ્રાંતના સાથી અમલદારો, “તમારે એ મંદિરથી દૂર રહેવું, અને તેના બાંધકામમાં કંઈ વિક્ષેપ પાડવો નહિ. યહૂદિયાના રાજ્યપાલ તથા યહૂદી આગેવાનોને ઈશ્વરનું મંદિર તેના અસલ સ્થાને બાંધવા દેવું. વળી, મારું ફરમાન છે કે તમારે તેમને એ કાર્યમાં મદદ પણ કરવી. યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના કરવેરામાંથી રાજ્યને થતી આવકમાંથી તે અંગેનો ખર્ચ તરત જ પૂરો પાડવો, જેથી કામ અટકે નહિ. આકાશના ઈશ્વરને અર્પણ ચડાવવા માટે યરુશાલેમના યજ્ઞકારોને તેઓ દરરોજ જે કંઈ માગે તે અચૂક આપો. એટલે તમારે તેમને વાછરડા, ઘેટા, હલવાનો, ઘઉં, મીઠું, દ્રાક્ષાસવ અને તેલ આપવાં. એ માટે કે તેઓ આકાશના ઈશ્વરને માન્ય થાય એવાં અર્પણો ચડાવે અને મારે માટે તથા મારા પુત્રો રાજકુંવરો માટે આશિષની પ્રાર્થના કરે. જે કોઈ મારા આ હુકમનો અનાદર કરે તેને તેના પોતાના જ ઘરના ભારટિયાની શૂળી બનાવી તે પર લટકાવી દેવો અને તેના ઘરને ઉકરડો બનાવી દેવું. જે કોઈ રાજા કે પ્રજા, યરુશાલેમનું મંદિર, કે જેમાં ઈશ્વરે પોતાનું નામ રાખવા તેને પસંદ કર્યું છે તેનો નાશ કરે અને એમ આ આદેશનો અનાદર કરે તેનો ઈશ્વર નાશ કરો. હું દાર્યાવેશ આ હુકમ ફરમાવું છું અને તેનો તાકીદે અમલ થવો જોઈએ.” રાજ્યપાલ તાત્તનાય, શથાર- બાઝનાય તથા પ્રાંતના તેમના સાથી અમલદારોએ રાજાના હુકમનો સત્વરે અમલ કર્યો. હાગ્ગાય તથા ઇદ્દોના પુત્ર ઝખાર્યા સંદેશવાહકોના સંદેશાઓથી યહૂદી આગેવાનોને ઘણું પ્રોત્સાહન મળ્યું અને તેમણે મંદિરના બાંધકામમાં સારી એવી પ્રગતિ સાધી. ઇઝરાયલના ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તેમજ ઇરાનના સમ્રાટ કોરેશ, દાર્યાવેશ અને આર્તાશાસ્તાના હુકમ પ્રમાણે તેમણે મંદિરનું બાંધકામ પૂરું કર્યું. સમ્રાટ દાર્યાવેશના શાસનકાળના છઠ્ઠા વર્ષમાં, અદાર માસની ત્રીજી તારીખે મંદિરનું બાંધકામ પૂર્ણ થયું. ઇઝરાયલના બધા લોકો એટલે યજ્ઞકારો, લેવીઓ તથા દેશનિકાલમાંથી પાછા ફરેલા બાકીના લોકોએ આનંદથી મંદિરની પ્રતિષ્ઠા કરી. તે વખતે તેમણે એક્સો વાછરડા, બસો ઘેટા અને ચારસો હલવાન અર્પ્યાર્ં તથા ઇઝરાયલના પ્રત્યેક કુળ માટે એક એમ કુલ બાર બકરા પ્રાયશ્ર્વિતબલિ તરીકે ચડાવ્યા. મોશેના પુસ્તકમાં લખેલી સૂચનાઓ પ્રમાણે તેમણે યરુશાલેમના મંદિરમાં વારા પ્રમાણે સેવા કરવા માટે યજ્ઞકારો અને લેવીઓની નિમણૂક કરી. પ્રથમ માસની ચૌદમી તારીખે દેશનિકાલમાંથી પાછા આવેલા લોકોએ પાસ્ખાપર્વ પાળ્યું. બધા યજ્ઞકારો અને લેવીઓએ પોતાને પવિત્ર કર્યા હતા અને તેઓ વિધિ પ્રમાણે શુદ્ધ હતા. તેમણે દેશનિકાલમાંથી પાછા આવેલા લોકો માટે એટલે, પોતાને માટે, પોતાના સાથી યજ્ઞકારો માટે તથા લોકો માટે પાસ્ખાયજ્ઞના હલવાન કાપ્યાં. દેશનિકાલમાંથી પાછા આવેલા બધા લોકોએ તથા દેશમાં આસપાસ વસતા વિધર્મીઓની મૂર્તિપૂજા તથા અમંગળ આચરણોથી પોતાને શુદ્ધ કરી ઇઝરાયલના ઈશ્વરની ભક્તિમાં સામેલ થયા હતા તેવા સૌએ પાસ્ખાયજ્ઞના અર્પણનું ભોજન કર્યું. તેમણે સાત દિવસ સુધી ખમીરરહિત રોટલીનું પર્વ આનંદથી પાળ્યું. પ્રભુએ આશ્શૂરના સમ્રાટનું વલણ બદલી નાખ્યું હોવાથી તેણે તેમને ઇઝરાયલના ઈશ્વરના મંદિરના બાંધકામમાં પ્રોત્સાહન આપ્યું તેને લીધે તેઓ ખૂબ આનંદમાં હતા. એ બનાવો બન્યા પછી સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળ દરમ્યાન એઝરા નામે એક માણસ હતો. તે પ્રમુખ યજ્ઞકાર આરોનનો વંશજ હતો. તેની વંશાવળી આ પ્રમાણે છે: એઝરા સરાયાનો પુત્ર હતો. સરાયા અઝાર્યાનો પુત્ર, અઝાર્યા હિલકિયાનો પુત્ર, હિલકિયા શાલ્લૂમનો પુત્ર, શાલ્લૂમ સાદોકનો પુત્ર, સાદોક અહીટૂબનો પુત્ર, અહીટૂબ અમાર્યાનો પુત્ર, અમાર્યા અઝાર્યાનો પુત્ર, અઝાર્યા મરાયોથનો પુત્ર, મરાયોથ ઝરાહ્યાનો પુત્ર, ઝરાહ્યા ઉઝઝીનો પુત્ર, ઉઝઝી બુક્કીનો પુત્ર, બુક્કી અબિશુઆનો પુત્ર, અબિશુઆ ફિનહાસનો પુત્ર, ફિનહાસ એલાઝારનો પુત્ર અને એલાઝાર આરોનનો પુત્ર. એ જ એઝરા બેબિલોનથી યરુશાલેમ આવ્યો. એઝરા તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મોશેને આપેલા નિયમશાસ્ત્રનો વિદ્વાન શાસ્ત્રી હતો. એઝરા પર પ્રભુની કૃપાદૃષ્ટિ હોવાથી તેણે જે કંઈ માગ્યું તે બધું રાજાએ તેને આપ્યું. તેની સાથે યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંગીતકારો, સંરક્ષકો અને સેવકો પણ ગયા. સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળના સાતમા વર્ષના પાંચમા માસમાં તેઓ યરુશાલેમ પહોંચ્યા. તેમણે પહેલા માસની પહેલી તારીખે બેબિલોનથી મુસાફરી શરૂ કરી અને ઈશ્વરની મદદથી પાંચમા માસની પહેલી તારીખે આવી પહોંચ્યા. એઝરાએ પ્રભુના નિયમશાસ્ત્રનો અભ્યાસ કરવામાં, તે પ્રમાણે તેને આચરણમાં ઉતારવામાં અને તેના નિયમો અને વિધિઓ ઇઝરાયલી લોકોને શીખવવામાં પોતાનું જીવન પરોવ્યું હતું. એઝરા તો પ્રભુએ ઇઝરાયલી લોકોને આપેલી આજ્ઞાઓ અને વિધિઓનો વિદ્વાન હતો. સમ્રાટ આર્તાશાસ્તાએ તેને આપેલા પત્રની નકલ આ પ્રમાણે છે: “સમ્રાટ આર્તાશાસ્તા તરફથી આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રમાં વિદ્વાન યજ્ઞકાર એઝરાને શુભેચ્છા. “મારા સામ્રાજ્યમાંથી તારી સાથે યરુશાલેમ આવવા માગતા સર્વ ઇઝરાયલીઓ, યજ્ઞકારો અને લેવીઓને હું ત્યાં જવાની પરવાનગી આપું છું. હું અને મારા સાત સલાહકારો તને એટલા માટે મોકલીએ છીએ કે તું જઈને તપાસ કરે કે તારી પાસે તારા ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર છે તેનું પાલન યરુશાલેમ અને યહૂદિયાના લોકો કરે છે કે નહિ. યરુશાલેમમાં જેમનું મંદિર છે તે ઇઝરાયલના ઈશ્વરને અર્પણ કરવા હું અને મારા સલાહકારો જે સોનુંરૂપું આપીએ છીએ તે તું તારી સાથે લઈ જા. વળી, સમગ્ર બેબિલોનમાંથી ઇઝરાયલી લોકો અને યજ્ઞકારોએ યરુશાલેમમાં પોતાના ઈશ્વરના મંદિરમાં અર્પણ કરવા માટે રાજીખુશીથી આપેલું સોનુંરૂપું પણ લઈ જા. આ પૈસામાંથી તું આખલા, ઘેટાં, હલવાનો, ધાન્ય અને દ્રાક્ષાસવ વેચાતાં લેવામાં ખંત રાખજે. તારે યરુશાલેમમાં આવેલા તારા ઈશ્વરના મંદિરમાંની વેદી પર તેમનું અર્પણ કરવું. ખર્ચ થતાં જે સોનુંરૂપું વધે તેને તું તથા તારા સાથીઓ તારા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વાપરજો. તારા ઈશ્વરના મંદિરમાં સેવાના કામને માટે તને આપવામાં આવેલાં પાત્રો યરુશાલેમમાં તારા ઈશ્વર સમક્ષ રજૂ કરજે. વળી, તારા ઈશ્વરના મંદિરને માટે તારે અન્ય જે કંઈ વસ્તુઓ પૂરી પાડવી પડે તેનો ખર્ચ રાજભંડારમાંથી મેળવી લેજે. “હું સમ્રાટ આર્તાશાસ્તા પશ્ર્વિમ- યુફ્રેટિસ પ્રાંતના સર્વ રાજભંડારીઓને આ ફરમાન કરું છું: આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રમાં વિદ્વાન યજ્ઞકાર એઝરા જે કંઈ માગે તે તમારે સત્વરે પૂરું પાડવું. એટલે, આશરે ચોત્રીસો કિલો ચાંદી, દસ હજાર કિલો ઘઉં, બે હજાર લિટર દ્રાક્ષાસવ અને બે હજાર લિટર ઓલિવ તેલ સુધી અને મીઠું તો જોઈએ તેટલું આપવાં. આકાશના ઈશ્વરના મંદિર માટે તે જે માગે તે ખંતથી આપવું, જેથી મારા રાજ્ય પર કે મારા વંશજો પર તેમનો કોપ ઊતરે નહિ. વળી, યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંગીતકારો, સંરક્ષકો અને સેવકો તથા તેમની સાથેના કાર્યકરો પાસેથી કોઈપણ જાતના કરવેરા ઉઘરાવવા નહિ. “હે એઝરા, તારી પાસે તારા ઈશ્વરના નિયમશાસ્ત્રનું જે જ્ઞાન છે તે પ્રમાણે પશ્ર્વિમ યુફ્રેટિસ પ્રાંતમાં વસતા તારા ઈશ્વરના નિયમને જાણતા લોકોનો ન્યાય કરવા માટે તારે ન્યાયાધીશો અને શાસ્ત્રીઓની નિમણૂક કરવી. એ નિયમશાસ્ત્ર ન જાણનારા લોકોને પણ તારે તેનું શિક્ષણ આપવું. જે કોઈ તારા ઈશ્વરના નિયમશાસ્ત્રનું અથવા સામ્રાજ્યના કાયદાનું પાલન ન કરે તેને તારે ફાંસી, દેશનિકાલ, મિલક્તની જપ્તી કે કેદની યથાયોગ્ય સજા કરવી.” એઝરાએ કહ્યું, “આપણા પૂર્વજોના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ કે આ રીતે તેમણે સમ્રાટની મારફતે યરુશાલેમમાંના તેમના મંદિરનો વૈભવ વધાર્યો છે. ઈશ્વરની કૃપાથી મને રાજા, તેમના સલાહકારો અને પરાક્રમી અમલદારોની સદ્ભાવના પ્રાપ્ત થઈ છે. ઈશ્વરે મને હિંમત આપી તેથી મેં ઇઝરાયલના ગોત્રોના કેટલાક આગેવાનોને મારી સાથે આવવા તૈયાર કર્યા છે.” સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળમાં એઝરા સાથે બેબિલોનથી પાછા આવેલા ગોત્રના આગેવાન પૂર્વજોની યાદી આ પ્રમાણે છે: ફિનહાસના ગોત્રનો ગેર્શોમ, ઇથામારના ગોત્રનો દાનિયેલ, દાવિદના ગોત્રનો શખાન્યાનો પુત્ર હાટ્ટુશ, પારોશના ગોત્રનો ઝખાર્યા; તેની સાથે પોતાના કુટુંબની વંશાવળી પ્રમાણે 150 પુરુષો હતા. પાહાથ-મોઆબના ગોત્રનો ઝરાહ્યાનો પુત્ર એલ્યહોયનાય; તેની સાથે 200 પુરુષો હતા. ઝાત્તુ ગોત્રના યાહઝિયેલનો પુત્ર શખાન્યા; તેની સાથે 300 પુરુષો હતા. આદીનના ગોત્રનો યોનાથાનનો પુત્ર એબેદ; તેની સાથે 50 પુરુષો હતા. એલામના ગોત્રનો અથાલ્યાનો પુત્ર યશાયા; તેની સાથે 70 પુરુષો હતા. શફાટયાના ગોત્રનો મિખાયેલનો પુત્ર ઝબાદ્યા; તેની સાથે 80 પુરુષો હતા. યોઆબના ગોત્રનો યહિયેલનો પુત્ર ઓબાદ્યા; તેની સાથે 218 પુરુષો હતા. બાની ગોત્રનો યોસિફિયાનો પુત્ર બાની; તેની સાથે 160 પુરુષો હતા. બેબાયના ગોત્રનો બેબાયનો પુત્ર ઝખાર્યા; તેની સાથે 28 પુરુષો હતા. અઝગાદના ગોત્રનો હાક્કાટાનનો પુત્ર યોહાનાન; તેની સાથે 110 પુરુષો હતા. અદોનીકામના ગોત્રના: અલીફેલેટ, યેઉએલ, શમાયા; તેમની સાથે 60 પુરુષો હતા. (તેઓ પાછળથી આવ્યા.) બિગ્વાયના ગોત્રના ઉથાય તથા ઝાક્કૂર; તેમની સાથે 70 પુરુષો હતા. મેં તેમને આહવા નગરમાં થઈને પસાર થતી નહેરને કિનારે એકત્ર કર્યા અને ત્યાં ત્રણ દિવસ પડાવ નાખ્યો. ત્યાં તપાસ કરતાં મને તેમનામાં યજ્ઞકારો મળ્યા, પણ કોઈ લેવી મળ્યો નહિ. તેથી મેં આગેવાનોમાંથી આ નવને બોલાવ્યા: એલિએઝેર, અરિયેલ, શમાયા, એલ્નાથાન, યારીબ, એલ્નાથાન, નાથાન, ઝખાર્યા અને મશુલ્લામ. આ બે શિક્ષકોને પણ બોલાવ્યા: યોયારીબ અને એલ્નાથાન. મેં તેમને ક્સિફિયામાં વસતા જૂથના મુખ્ય આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા. તેમણે ઇદ્દો તથા ક્સિફિયામાં વસતા તેના સાથીઓ, એટલે મંદિરના સેવકોને એવો સંદેશો પહોંચાડવાનો હતો કે મંદિરમાં ઈશ્વરની સેવા માટે તેઓ સેવકો મોકલી આપે. ઈશ્વરની કૃપાથી તેમણે માહલી ગોત્રના અનુભવી માણસ શેરેબ્યા તથા તેના પુત્રો અને ભાઈઓ મળીને અઢારને મોકલ્યા. એ સાથે તેમણે મરારી ગોત્રના હશાબ્યાને અને યશાયાને તેમના પુત્રો તથા ભાઈઓ સહિત કુલ વીસને મોકલ્યા. એ ઉપરાંત, મંદિરના અન્ય 220 સેવકો હતા. એ બધા દાવિદ રાજા અને તેના સરદારોએ લેવીઓની મદદ માટે નીમેલા સેવકોના વંશના હતા. એ સૌનાં નામની યાદી બનાવવામાં આવી. મેં આહવાની નહેર પાસે સૌને ઉપવાસ કરવા અનુરોધ કર્યો. અમારી મુસાફરીમાં ઈશ્વર અમને સીધો રસ્તો બતાવે અને અમારું, અમારાં બાળકોનું તથા અમારા માલસામાનનું રક્ષણ કરે તે માટે ઈશ્વર સમક્ષ નમ્ર બનીને સૌ પ્રાર્થના કરે એમ જણાવ્યું. દુશ્મન વિરુદ્ધ રક્ષણને માટે સમ્રાટની પાસે લશ્કરી ટુકડી કે સવારો માગતાં મને શરમ લાગી. કારણ, મેં રાજાને કહ્યું હતું, “જે કોઈ અમારા ઈશ્વર પર ભરોસો રાખી તેમની મદદ માગે છે તેને તે આશિષ આપે છે, પણ જે કોઈ તેમનાથી વિમુખ થાય છે તેના પર તેમનો કોપ આવે છે અને તે શિક્ષા પામે છે.” એટલે, ઈશ્વર અમારું રક્ષણ કરે તે માટે અમે ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરી અને ઈશ્વરે તે માન્ય કરી. પછી મેં યજ્ઞકારોના આગેવાનોમાંથી શેરેબ્યા, હશાબ્યા તથા તેમના બીજા દસ સાથી યજ્ઞકારોને પસંદ કર્યા. મેં તેમને રાજા, તેના સલાહકારો, અમલદારો અને ઇઝરાયલી લોકોએ મંદિરને માટે જે સોનુંરૂપું અને પાત્રો અર્પણમાં આપ્યાં હતાં તે તોલી આપ્યાં: મેં તેમને બાવીસ હજાર કિલો ચાંદી, સો ચાંદીનાં પાત્રો, જેનું વજન સિત્તેર કિલો હતું, ત્રણ હજાર ચારસો કિલો સોનું, સોનાનાં વીસ પાત્રો, જેનું વજન નવ કિલો હતું, તેમ જ સોના જેવાં ચળક્તાં તાંબાનાં બે કીમતી પાત્રો, વજન કરીને સોંપી દીધાં. મેં તેમને કહ્યું, “તમે પ્રભુને માટે પવિત્ર છો. એ જ પ્રમાણે આ પાત્રો પણ પવિત્ર છે. વળી, આ સોનુંરૂપું તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુને ચડાવેલું સ્વૈચ્છિક અર્પણ છે. તેથી યરુશાલેમમાં જઈને ત્યાં પ્રભુના મંદિરના ઓરડાઓમાં આગેવાન યજ્ઞકારો, લેવીઓ અને ઇઝરાયલના કુટુંબના વડાઓ સમક્ષ તમે તેમને તોળી આપો ત્યાં સુધી તમે તેમનું ખંતથી રક્ષણ કરો.” તેથી યજ્ઞકારો અને લેવીઓએ એ સોનુંરૂપું તથા પાત્રો યરુશાલેમમાંના અમારા ઈશ્વરના મંદિરમાં લઈ જવા માટે સંભાળી લીધાં. એમ અમે પ્રથમ માસની બારમી તારીખે આહવાની નહેરના કિનારેથી યરુશાલેમ જવા ઉપડયા. મુસાફરી દરમ્યાન પ્રભુએ અમને દુશ્મનોથી અને સંતાઈને ઓચિંતા છાપા મારનારાઓથી બચાવ્યા. યરુશાલેમ પહોંચીને અમે ત્રણ દિવસ આરામ કર્યો. ચોથે દિવસે મંદિરમાં જઈને અમે ઉરિયા યજ્ઞકારના પુત્ર મરેમોથને સોનુંરૂપું તથા પાત્રો વજન કરીને સોંપી દીધાં. તે સમયે ફિનહાસનો પુત્ર એલાઝાર તેમજ યેશૂઆનો પુત્ર યોઝાખાદ અને બિન્‍નઈનો પુત્ર નોઆયા એ બે લેવીઓ પણ હાજર હતા. બધાંનું વજન કરીને ગણી આપવામાં આવ્યું અને તે જ વખતે તેની નોંધ કરી લેવામાં આવી. દેશનિકાલમાંથી પાછા આવેલા લોકોએ ઇઝરાયલના ઈશ્વરને દહનબલિ ચડાવ્યા. બધા ઇઝરાયલીઓ માટે બાર આખલા, છન્‍નું ઘેટા અને સિત્તોતેર હલવાનો તેમ જ પ્રાયશ્ર્વિત નિવારણ બલિ માટે બાર બકરા એ બધાં પ્રાણીઓ પ્રભુને દહનબલિ તરીકે ચડાવવામાં આવ્યાં. તેમણે સમ્રાટના ફરમાન અંગેનો પત્ર પશ્ર્વિમ યુફ્રેટિસ પ્રાંતના રાજ્યપાલો અને અધિકારીઓને આપ્યો, અને તેમણે લોકોને તથા ઈશ્વરના મંદિરના બાંધકામને ઉત્તેજન આપ્યું. એ બનાવો પછી ઇઝરાયલી લોકોના આગેવાનોએ મારી પાસે આવીને કહ્યું, “ઇઝરાયલી લોકો, યજ્ઞકારો અને લેવીઓ આસપાસના દેશોના લોકોથી અલગ રહેતા નથી. તેઓ કનાનીઓ, હિત્તીઓ, પરિઝઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, ઇજિપ્તીઓ અને અમોરીઓનાં ઘૃણાપાત્ર આચરણો પ્રમાણે વર્તે છે. તેમણે એ લોકોની પુત્રીઓને પોતાની તથા પોતાના પુત્રોની પત્નીઓ તરીકે સ્વીકારી છે. આમ, ઈશ્વરના પવિત્ર લોકો ત્યાંના લોકો સાથે ભેળસેળ થઈ ગયા છે. એ અપરાધમાં મુખ્યત્વે આગેવાનો અને અધિકારીઓએ જ પહેલ કરી છે.” એ સાંભળીને મેં મારાં વસ્ત્ર તથા ઝભ્ભો ફાડયાં, માથા અને દાઢીના વાળ ફાંસી નાખ્યા અને આઘાત પામીને બેસી પડયો. એ પ્રમાણે હું એમને એમ સાંજનાં બલિદાન ચડાવવાના સમય સુધી બેસી રહ્યો. દેશનિકાલમાંથી પાછા આવેલાઓએ કરેલા પાપ વિષે ઇઝરાયલના ઈશ્વરના વચનથી ગભરાયેલા બધા લોકો મારી આસપાસ એકઠા થઈ ગયા. સાંજનાં બલિદાનના સમયે ફાટેલાં વસ્ત્ર અને ઝભ્ભામાં જ શોકમાં ને શોકમાં મેં પ્રાર્થનામાં ધૂંટણિયે પડીને મારા ઈશ્વર પ્રભુ તરફ મારા હાથ પ્રસાર્યા. મેં પ્રાર્થના કરી, “હે મારા ઈશ્વર, તમારી સમક્ષ મારું મસ્તક ઉઠાવતાં પણ મને શરમ લાગે છે. અમારાં પાપ અમારાં શિર કરતાંય ઉપર અરે, છેક આકાશ સુધી પહોંચ્યાં છે. અમારા પૂર્વજોના સમયથી આજ સુધી અમે ભયંકર પાપ કર્યાં છે. અમારાં પાપને લીધે અમારા રાજાઓ અને યજ્ઞકારો પરદેશી રાજાઓની સત્તાને તાબે થઈ ગયા છે. અમારી ક્તલ કરવામાં આવી છે, અમને લૂંટી લેવામાં આવ્યા છે. અમને કેદી તરીકે લઈ જવામાં આવ્યા છે અને અમારી આબરૂ લૂંટાઈ છે. આજે પણ અમારી એ જ દશા છે. હે ઈશ્વર, અમારા પ્રભુ, અત્યારે થોડા સમય માટે તમે અમારા પર કૃપા દર્શાવી હોવાથી અમારામાંથી થોડાને ગુલામીમાંથી બચાવી લીધા છે અને આ પવિત્રભૂમિમાં અમને આશ્રયસ્થાન મળ્યું છે. તમે અમારી આંખોમાં તેજ આપ્યું છે અને અમને અમારા બંધનમાં પણ નવજીવન બક્ષ્યું છે. કારણ, અમે તો ગુલામ હતા, પણ અમારી ગુલામી અવસ્થામાં તમે અમને તજી દીધા નહિ. તમે ઇરાનના રાજાઓના મનમાં અમારા પ્રત્યે દયાભાવ ઉત્પન્‍ન કર્યો, એટલે તેમણે અમને જીવતદાન આપ્યું છે. તેમજ તમારા ખંડિયેર બની ગયેલા મંદિરને ફરીથી બાંધવાની પરવાનગી આપી છે, અને અમને યહૂદિયા તથા યરુશાલેમમાં સલામતી બક્ષી છે. “પણ હે અમારા ઈશ્વર, અમે શું કહીએ? કારણ, અમે તો તમારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા અપાયેલી તમારી બધી આજ્ઞાઓનો અનાદર કર્યો છે. તેમણે અમને જણાવ્યું હતું: ‘જ્યાં તમે વસવાટ માટે જાઓ છો તે દેશ તો ત્યાંના લોકોની અશુદ્ધતા અને તેમનાં ઘૃણાપાત્ર કૃત્યોની મલિનતાથી ભરેલો છે. તમારે તમારી પુત્રીઓનાં લગ્ન તેમની સાથે કરાવવાં નહિ, તેમ જ તમારે તેમની પુત્રીઓ સાથે લગ્ન કરવાં નહિ. ન તો તમારે તેમની સુખસમૃદ્ધિ માટે કંઈ પ્રયાસ કરવો. તો જ તમે બળવાન થશો, દેશની ઉત્તમ પેદાશ ખાશો અને તમારા વંશજો સદા તેનો વારસો ભોગવતા રહેશે. “આ બધું બન્યા પછી અને અમારા અપરાધ અને પાપની સજા ભોગવ્યા પછી હે અમારા ઈશ્વર, અમે જાણીએ છીએ કે અમને થવી જોઈએ એના કરતાં ઘણી થોડી શિક્ષા તમે અમને કરી છે અને આટલા લોક બચાવ્યા છે. તો પછી અમે કેવી રીતે તમારી આજ્ઞાઓ ઉથાપીને આ દુષ્ટ લોકો સાથે લગ્નસંબંધ બાંધી શકીએ? જો અમે એમ કરીએ તો તમે અતિશય કોપાયમાન થઈને અમારો એવો વિનાશ કરશો કે કોઈ બચી જઈને બાકી રહે નહિ. હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે ન્યાયી છો, છતાં આજે છે તેમ તમે અમને બચાવ્યા છે. અમે તો અપરાધી છીએ અને તેથી તમારી સમક્ષ આવવાનો અમને કોઈ અધિકાર નથી.” એઝરા મંદિર આગળ ભૂમિ પર નતમસ્તકે ધૂંટણિયે પડીને રડતાં રડતાં પ્રાર્થના કર્યા કરતો હતો અને પાપની કબૂલાત કરતો હતો ત્યારે ઇઝરાયલી સ્ત્રી, પુરુષો અને બાળકોનો મોટો સમુદાય તેની આસપાસ એકત્ર થયેલો હતો. તેઓ પણ ભારે વિલાપ કરતાં હતાં. ત્યારે એલામના ગોત્રના યહિયેલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, “પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરીને આપણે ઈશ્વરના નિયમનો ભંગ કર્યો છે. છતાં ઇઝરાયલ માટે હજી કંઈક આશા છે. આપણે આપણા ઈશ્વર સમક્ષ પ્રતિજ્ઞા કરીએ કે આપણે આ સ્ત્રીઓ તથા તેમનાં બાળકોને તજી દઈશું. એટલે, તમે તથા ઈશ્વરથી ડરીને તેમની આજ્ઞાનું પાલન કરનાર અન્ય આગેવાનો જે સલાહ આપે તે પ્રમાણે કરીએ. આપણે એમ ઈશ્વરના નિયમની માગણી પ્રમાણે વર્તીએ. હવે એ કામ તમારું છે અને અમે તમને મદદ કરીશું. તેથી ખૂબ હિંમત રાખીને આ કામ પાર પાડો!” એટલે શખાન્યાએ કરેલા સૂચન પ્રમાણે કરવા એઝરાએ મુખ્ય યજ્ઞકારો, લેવીઓ તથા સર્વ ઇઝરાયલીઓને શપથ લેવડાવ્યા. ત્યાર પછી તે ઈશ્વરના મંદિર આગળથી ઊઠીને એલ્યાશીબના પુત્ર યહોહાનાનના નિવાસખંડમાં ગયો. ત્યાં તેણે દેશ- નિકાલમાંથી આવેલા ઇઝરાયલીઓના પાપને લીધે શોક કર્યો. તેણે કંઈ ખાધુંપીધું નહિ. યરુશાલેમ અને સમગ્ર યહૂદિયામાં જાહેરાત કરવામાં આવી કે દેશનિકાલમાંથી આવેલા બધા લોકોએ યરુશાલેમમાં એકઠા થવું. અધિકારીઓ અને આગેવાનોના આ આદેશ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં નહિ આવે તેની માલમિલક્ત જપ્ત કરવામાં આવશે અને તેને જનસમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવશે. ત્રણ દિવસમાં, નવમા માસની વીસમી તારીખે, યહૂદિયા અને બિન્યામીનના કુળપ્રદેશોના બધા માણસો યરુશાલેમના મંદિરના ચોકમાં એકઠા થયા. ભારે વરસાદ અને ગંભીર પ્રસંગને લીધે બધા લોક ધ્રૂજતા હતા. યજ્ઞકાર એઝરાએ ઊભા થઈને તેમને કહ્યું, “પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરી તમે ઈશ્વર પ્રત્યે બેવફા નીવડયા છો અને એમ ઇઝરાયલના પાપમાં વધારો કર્યો છે. હવે તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ સમક્ષ તમારું પાપ કબૂલ કરો અને તેમની ઇચ્છા પ્રમાણે કરો. દેશના લોકોથી અને પરપ્રજાની સ્ત્રીઓથી અલગ થાઓ.” બધા લોકોએ મોટે અવાજે ઉત્તર આપ્યો, “અમે તારા કહ્યા પ્રમાણે વર્તીશું.” વળી, તેમણે કહ્યું, “લોકો ઘણા છે અને વરસાદ પુષ્કળ પડે છે. તેથી આ રીતે બહાર ખુલ્લામાં ઊભા રહી શકાય તેમ નથી. આ પાપ દૂર કરવાનું કામ એકબે દિવસનું નથી. કારણ, અમારામાંથી ઘણાએ આ મોટું પાપ કર્યું છે. તેથી આપણા અધિકારીઓ યરુશાલેમમાં રહે અને આ સમગ્ર તપાસનો વહીવટ સંભાળે. ત્યાર પછી અમારામાંથી જેમણે પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં છે તેઓ ઠરાવેલે સમયે પોતપોતાના નગરના ન્યાયાધીશો અને આગેવાનો સાથે યરુશાલેમમાં હાજર થાય. એ રીતે આ બાબતને લીધે આપણા પર આવેલો ઈશ્વરનો કોપ દૂર થઈ શકશે.” પણ માત્ર અસાહેલના પુત્ર યોનાથાને અને તિકવાના પુત્ર યાહઝયાએ એ વાતનો વિરોધ કર્યો. મશુલ્લામ તથા શાબ્બાથાય લેવીએ તેમને ટેકો આપ્યો. દેશનિકાલમાંથી આવેલા લોકોએ એ વ્યવસ્થાનો સ્વીકાર કર્યો. યજ્ઞકાર એઝરાએ પૂર્વજો પ્રમાણે કુટુંબોના આગેવાનોમાંથી માણસો નીમ્યા. તેમણે દસમા માસની પહેલી તારીખે તપાસ કાર્ય શરૂ કર્યું. તેમણે ત્રણ માસમાં પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરનાર લોકોની યાદી બનાવી દીધી. યજ્ઞકારોના પુત્રોમાંથી પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરનારાઓનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના ગોત્રમાંના યોસાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, એલિએઝેર, યારીબ અને ગદાલ્યા. આ બધાએ પોતાની પત્નીઓ તજી દેવાનું વચન આપ્યું હતું. તેમણે પોતાના પાપને લીધે ઘેટાનું અર્પણ આપ્યું. ઈમ્મેરના ગોત્રમાંના: હનાની તથા ઝબાદ્યા. હારીમના ગોત્રમાંના: માસેયા, એલિયા, શમાયા, યહિયેલ અને એલઆસા. પાશહૂરના ગોત્રમાંના: એલ્યોએનાય, માસેયા, ઇશ્માએલ, નાથાનાએલ, યોઝાબાદ તથા એલઆસા. લેવીઓના કુળના: યોઝાબાદ, શિમઈ, કેલાયા (એટલે કાલીટા) પથાહ્યા, યહૂદા તથા એલિએઝેર. સંગીતકારોમાંથી: એલ્યાશીબ, મંદિરના સંરક્ષકોમાંથી: શાલ્લુમ, ટેલેમ તથા ઉરી. બાકીનાઓની યાદી: પારોશના ગોત્રમાંના: રામ્યા, યિઝઝીયા, માલકિયા, મીયામીન, એલાઝાર, માલકિયા અને બનાયા. એલામના ગોત્રમાંના: માત્તાન્યા, ઝખાર્યા, યહિયેલ, આબ્દી, યરેમોથ તથા એલિયા. ઝાત્તૂના ગોત્રમાંના: એલ્યોએનાય, એલ્યાશીબ, માત્તાન્યા, યરેમોથ, ઝાબાદ તથા અઝીઝા. બેબાયના ગોત્રમાંના: યહોહાનાન, હનાન્યા, ઝાબ્બાય તથા આથ્લાય. બાનીના ગોત્રમાંના: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાસૂબ, શેઆલ તથા યરેમોથ. પાહાથ મોઆબના ગોત્રમાંના: આદના, કલાલ, બનાયા, માસેય, માતાન્યા, બઆલએલ, બિન્‍નૂઈ તથા મનાશ્શા. હારીમના ગોત્રમાંના: એલિએઝેર, યિશ્શીયા, માલકિયા, શમાયા, શિમયોન, બિન્યામીન, માલ્લૂખ તથા શમાર્યા. હાશુમના ગોત્રમાંના: માત્તનાય, માત્તાત્તા, ઝાબાદ, અલીફેલેટ, યરેમાઈ, મનાશ્શા તથા શિમઈ. બાનીના ગોત્રમાંના: માદાય, આમ્રામ, ઉએલ, બનાયા, બેદયા, કલૂહી, વાન્યા, મરેમોથ, એલ્યાશીબ, માત્તાન્યા, માત્તનાય તથા યાઅસુ. *** *** *** બિન્‍નૂઈના ગોત્રમાંના: શિમઈ, શેલેમ્યા, નાથાન, અદાયા, માખ્નાદબાય, શાશાય, શારાય, અઝારએલ, શેલેમ્યા, શેમાર્યા, શાલ્લુમ, અમાર્યા તથા યોસેફ. *** *** *** *** નબોના ગોત્રમાંના: યેઈએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, ઇદ્દો, યોએલ તથા બનાયા. આ બધાએ વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં અને તેમનાથી તેમને બાળકો હતાં. હખાલ્યાના પુત્ર નહેમ્યાનું આ વૃત્તાંત છે. આર્તાશાસ્તા રાજાના વીસમા વર્ષે કિસ્લેવ માસમાં હું નહેમ્યા, પાટનગર સૂસામાં હતો. યહૂદિયાથી મારો એક ભાઈ હનાની અને બીજા કેટલાક માણસો ત્યાં આવ્યા. મેં તેમને યરુશાલેમ તથા દેશનિકાલમાંથી પાછા ફરેલા શેષ લોકોના સમાચાર પૂછયા. તેમણે કહ્યું, “જેઓ દેશનિકાલમાંથી બચી જઈ પ્રાંતમાં જીવતા રહ્યા છે તેઓ ભારે મુશ્કેલીમાં અને અપમાનજનક સ્થિતિમાં છે. યરુશાલેમનો કોટ હજી તૂટેલી હાલતમાં જ છે અને દરવાજાઓ બાળી નાખ્યા પછી સમારવામાં આવ્યા નથી.” એ સાંભળીને હું બેસી પડયો અને રડવા લાગ્યો. કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો અને ઉપવાસસહિત ઈશ્વરને પ્રાર્થના કરી. “હે આકાશના ઈશ્વર યાહવે, તમે મહાન અને આદરણીય છો. તમારા પર પ્રેમ રાખનારાઓ અને તમારી આજ્ઞાઓ પાળનારાઓ પ્રત્યે તમે વિશ્વાસુ રહીને તમારા કરારનું વચન પાળો છો. હે પ્રભુ, મારા તરફ જુઓ અને મારી પ્રાર્થના સાંભળો. કારણ, તમારા સેવકો એટલે ઇઝરાયલી પ્રજા માટે હું રાતદિવસ પ્રાર્થના કરું છું. હું કબૂલ કરું છું કે અમે ઇઝરાયલી લોકોએ પાપ કર્યું છે; મારા પૂર્વજોએ અને મેં પાપ કર્યું છે. અમે તમારી વિરુદ્ધ ઘણો દુરાચાર કર્યો છે. અમે તમારી આપેલી આજ્ઞાઓ પાળી નથી. તમારા સેવક મોશેની મારફતે તમે જે નિયમો અને આદેશો અમને આપ્યા તેનું અમે પાલન કર્યું નથી. તમે મોશેને આપેલ સંદેશ યાદ કરો: “હે ઇઝરાયલ લોકો, જો તમે બેવફા નીવડશો તો હું તમને બીજા દેશોમાં વિખેરી નાખીશ. પણ જો તમે મારી તરફ પાછા ફરશો અને મારી આપેલી આજ્ઞાઓ પ્રમાણે વર્તશો તો તમે પૃથ્વીના છેડાઓ સુધી વિખેરાયેલા હશો તો પણ જે સ્થાન મેં મારે નામે ભજન કરવા માટે પસંદ કર્યું છે ત્યાં હું તમને પાછા લાવીશ. “હે પ્રભુ, આ લોકો તો તમારા સેવકો છે અને તમારી પોતાની પ્રજા છે. તમે જ તમારા સામર્થ્યથી અને તમારા બાહુબળથી તેમને મુક્ત કર્યા છે. હે પ્રભુ, હવે તમે મારી પ્રાર્થના તથા તમારાથી ડરીને અદબ રાખનારા તમારા અન્ય સેવકોની પ્રાર્થના સાંભળો. આજે મને એવી સફળતા આપો કે જેથી મારા પર રાજાની કૃપા થાય.” એ સમયે હું રાજાને પીણું પીરસનાર હતો. આર્તાશાસ્તા રાજાના વીસમા વર્ષે નિસાન માસમાં, એક વાર તે મદિરાપાન કરી રહ્યો હતો અને મેં તેમને દ્રાક્ષાસવનો પ્યાલો આપ્યો. તેમણે મને અગાઉ ક્યારેય ગમગીન જોયો નહોતો. તેથી તેમણે પૂછયું, “તું ઉદાસ કેમ છે? તું બીમાર નથી તો પછી શાને કારણે દુ:ખી છે?” એ સાંભળીને હું ચમકી ગયો. મેં જવાબ આપ્યો, “હે રાજા, અમર રહો. જ્યાં મારા પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે તે શહેર આજે ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ બાળી નાખવામાં આવ્યા છે. તો પછી મને દુ:ખ ન થાય?” રાજાએ મને પૂછયું, “તારી શી માગણી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી. પછી મેં રાજાને કહ્યું, “નામદાર, મારા પર આપની કૃપા હોય અને આપ મારી વિનંતી માન્ય રાખો તો મને યહૂદિયા દેશમાં જવાની રજા આપો અને જે શહેરમાં મારા પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે તેનો પુનરોદ્ધાર કરવા જવા દો.” રાજાની પાસે રાણી પણ બેઠી હતી. રાજાએ મને પૂછયું, “તું ત્યાં કેટલો સમય રહેશે અને ક્યારે પાછો આવીશ?” મેં તે જણાવ્યું અને તેમણે મારી માગણી માન્ય રાખી. તે પછી મેં રાજા પાસે એવી વિનંતી કરી કે તે મને પશ્ર્વિમ-યુફ્રેટિસ પ્રાંતોના રાજ્યપાલો પર પત્રો લખી આપે કે જેથી તેઓ મને યહૂદિયા તરફ મુસાફરી કરવા દે. મેં તેમને રાજાના વનસંરક્ષક આસાફ પર પણ પત્ર લખી આપવા જણાવ્યું કે જેથી તે મને મંદિરના કિલ્લાના દરવાજાઓ માટે, શહેરના કોટ માટે અને મારા નિવાસસ્થાન માટે ઇમારતી લાકડાં આપે. ઈશ્વર મારી સાથે હતા અને તેથી રાજા પાસે મેં જે કંઈ માગ્યું તે બધું તેમણે મંજૂર કર્યું. રાજાએ મારી સાથે કેટલાક લશ્કરી અમલદારો તથા ઘોડેસવારોની ટુકડી મોકલી અને મેં પશ્ર્વિમ-યુફ્રેટિસના પ્રદેશ તરફ જવા મુસાફરી શરૂ કરી. ત્યાંના રાજ્યપાલોને મેં પત્રો આપ્યા. પણ હોરોનવાસી સાનબાલ્લાટ અને આમ્મોની અધિકારી ટોબિયાએ જ્યારે જાણ્યું કે ઇઝરાયલ લોકોનું ભલું કરવા કોઈ આવ્યું છે ત્યારે તેઓ અત્યંત નારાજ થઈ ગયા. હું યરુશાલેમ પહોંચ્યો અને ત્યાં ત્રણ દિવસ પસાર કર્યા. ઈશ્વરે મને યરુશાલેમના કલ્યાણનું કામ સોંપ્યું છે તે વાત મેં કોઈને કરી નહિ. પછી હું મધરાતે ઊઠયો અને મારી સાથે થોડાએક સાથીદારો લીધા. અમે સાથે એક જ ગધેડું લીધું, જેના પર હું સવાર થયો અને એ સિવાય સાથે બીજું એકેય પ્રાણી લીધું નહિ. પશ્ર્વિમ તરફ “ખીણના દરવાજે” શહેર બહાર નીકળીને દક્ષિણ તરફ “અજગર કુંડ” થઈને હું “કચરાના દરવાજા” સુધી ગયો. ફરતાં ફરતાં મેં શહેરના તૂટેલા કોટનું અને અગ્નિથી બાળી નાખેલા દરવાજાઓનું નિરીક્ષણ કર્યું. ત્યાર પછી હું ઉત્તર તરફ ગયો અને “ઝરાના દરવાજા” સુધી તથા “રાજાના તળાવ” સુધી ગયો. મારા ગધેડાને ચાલવા જેટલો માર્ગ પણ મળતો નહોતો. તેથી હું ખીણ તરફ ગયો અને મેં કોટનું અવલોકન કર્યું. ત્યાર પછી જે માર્ગે હું નીકળ્યો હતો ત્યાં ગયો અને “ખીણના દરવાજા” થઈ શહેરમાં પાછો ગયો. હું ક્યાં ગયો હતો અને મેં શું કર્યું તેની શહેરના કોઈ સ્થાનિક અધિકારીને ખબર પડી નહિ. હજી સુધી મેં કોઈ યહૂદીને એટલે યજ્ઞકારો, આગેવાનો, અધિકારીઓ અથવા કામમાં ભાગ લે તેવા બીજા કોઈને કંઈ કહ્યું નહોતું. પણ હવે મેં તેમને કહ્યું, “આપણે કેવા ભારે સંકટમાં છીએ તે તમે જાણો છો; એટલે કે યરુશાલેમ ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ અગ્નિથી બાળી નાખવામાં આવ્યા છે. ચાલો, આપણે શહેરનો કોટ ફરીથી બાંધીએ અને આપણી નામોશી દૂર કરીએ. વળી, ઈશ્વર મારી સાથે છે અને તેમણે મને મદદ કરી છે તે વિષે તથા રાજાએ મને મદદ કરી છે તે વિષે તથા રાજાએ મને જે જે કહ્યું હતું તે બધું મેં તેમને જણાવ્યું. તેમણે જવાબ આપ્યો, “ચાલો, પુનરોદ્ધારનું કાર્ય શરૂ કરીએ.” એમ તેઓ એ ઉમદા કાર્ય શરૂ કરવાને તૈયાર થઈ ગયા. પણ સાનબાલ્લાટ, ટોબિયા અને અરબી ગેશેમને અમે જે કરીએ છીએ તેની ખબર પડી ત્યારે તેમણે અમારી મજાકમશ્કરી કરી. તેમણે કહ્યું, “તમે આ શું કરી રહ્યા છો? શું તમે રાજાની વિરુદ્ધ બળવો કરવાના છો?” મેં જવાબ આપ્યો, “આકાશના ઈશ્વર અમને સફળતા અપાવશે. અમે તેમના સેવકો છીએ અને અમે પુનરોદ્ધારનું કાર્ય શરૂ કરીશું. પણ યરુશાલેમમાં તમારો કોઈ ભાગ, હક્ક કે દાવો નથી તે જાણી લેજો.” શહેરના કોટની મરામત આ રીતે કરવામાં આવી. મુખ્ય યજ્ઞકાર એલ્યાશીબ તથા તેના યજ્ઞકારોએ “ઘેટાના દરવાજા” બાંધકામ કર્યું. તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેમણે દરવાજાનાં બારણાં ચડાવ્યાં. તેમણે શતક બુરજ સુધી અને છેક હનાનએલના બુરજ સુધી કોટનું બાંધકામ કર્યું. યરીખોના માણસોએ તે પછીના ભાગનું બાંધકામ કર્યું. ઇઝીના પુત્ર ઝાકકૂરે તેના પછીનો ભાગ બાંધ્યો. હસ્સેનાના પુત્રોએ “મચ્છી દરવાજો” બાંધ્યો. તેમણે દરવાજાની બારસાખો તેમ જ તેનાં બારણાં ચડાવ્યાં. અને દરવાજો બંધ કરવા માટે નકુચા અને પાટિયાં બેસાડયાં. તે પછીના ભાગની મરામત હાક્કોથના પુત્ર ઉરિયાના પુત્ર મરેમોથે કરી. તે પછીના ભાગની મરામત મશેઝાબએલના પુત્ર બેરેખ્યાના પુત્ર મશુલ્લામે કરી. તેના પછી બાઆનાના પુત્ર સાદોકે મરામત કરી. તેના પછીના ભાગની મરામત તકોઆના માણસોએ કરી. (પણ તે નગરના મુખ્ય માણસોએ તેમના અધિકારીઓએ સોંપેલું મજૂરીકામ કરવાની ના પાડી.) પાસેઆના પુત્ર યોઆદા તથા બસોદ્યાના પુત્ર મશુલ્લામે “યેશાના દરવાજા” મરામત કરી. તેમણે દરવાજાની બારસાખો તથા તેનાં બારણાં ચડાવ્યાં અને દરવાજો બંધ કરવા માટે નકુચા અને પાટિયાં બેસાડયાં. તે પછીના ભાગમાં મલાય્યા ગિલ્યોની તથા યાદોન મેરાનાથી તેમ જ ગિલ્યોન તથા મિસ્પાના માણસોએ પશ્ર્વિમ-યુફ્રેટિસના રાજ્યપાલના રાજભવન સુધીના વિસ્તારમાં મરામતકામ કર્યું. હાર્હયાનો પુત્ર ઉઝઝીએલ જે સોની હતો તેણે પછીના ભાગની મરામત કરી અને હનાન્યા નામના એક અત્તર બનાવનારે તેના પછીના ભાગની મરામત કરી. તેમણે છેક “પહોળી દીવાલ” સુધી સમારકામ કરીને યરુશાલેમના કોટનો પુનરોદ્ધાર કર્યો. તેમના પછીના ભાગમાં હૂરના પુત્ર રફાયાએ મરામત કરી. તે યરુશાલેમ જિલ્લાના અર્ધા વિભાગનો અધિકારી હતો. તે પછીના ભાગમાં હરૂમાફના પુત્ર યદાયાએ પોતાના ઘરની પાસેના કોટની મરામત કરી. તેના પછીના ભાગમાં હાશાબ્નયાના પુત્ર હાટ્ટુશે મરામત કરી. હારીમના પુત્ર માલકિયાએ તથા પાહાથ-મોઆબના પુત્ર હાશ્શૂબે તે પછીના ભાગની તેમજ “ભઠ્ઠીઓના બુરજ” મરામત કરી. હાલ્લોહેશનો પુત્ર શાલ્લૂમ યરુશાલેમ જિલ્લાનો બીજા અર્ધા વિભાગનો અધિકારી હતો. તેણે તે પછીના ભાગની મરામત કરી. તેની પુત્રીઓએ તેમાં તેને મદદ કરી. હાનૂન તથા ઝાનોઆ નગરના રહેવાસીઓએ “ખીણનો દરવાજો” ફરીથી બાંધ્યો. તેમણે તેની બારસાખો તથા તેનાં બારણાં ચડાવ્યાં અને દરવાજો બંધ કરવા નકુચા તથા પાટિયાં બેસાડયાં. વળી, તેમણે “કચરાના દરવાજા” સુધી લગભગ ચારસો પચાસ મીટર જેટલા કોટની મરામત કરી. રેખાબના પુત્ર માલકિયાએ “કચરાનો દરવાજો” ફરીથી બાંધ્યો. તે બેથ હાકકેરેમ જિલ્લાનો અધિકારી હતો. તેણે બારણાં ચડાવ્યાં અને દરવાજો બંધ કરવા માટે નકુચા તથા પાટિયાં બેસાડયાં. કોલહોઝેનો પુત્ર શાલ્લૂમ, જે મિસ્પા જિલ્લાનો અધિકારી હતો. તેણે “ઝરાનો દરવાજો” ફરીથી બાંધ્યો. તેણે દરવાજા પર છાપરું કર્યું, બારણાં ચડાવ્યાં અને તેના નકુચા તથા પાટિયાં બેસાડયાં. તેણે રાજાના બગીચાની નજીક શેલા તળાવ પર દાવિદનગરમાંથી ચડવાની સીડી સુધીનો કોટ બાંધ્યો. આઝબૂકનો પુત્ર નહેમ્યા, જે બેથ-સૂરના અર્ધા જિલ્લાનો અધિકારી હતો તે દાવિદની કબર, તળાવ અને છેક શસ્ત્રાગાર સુધીના પછીના ભાગમાં મરામત કરતો હતો. કોટના પછીના જુદાજુદા ભાગોની મરામત નીચે જણાવેલા લેવીઓએ કરી: બાનીનો પુત્ર રહૂમ પછીના ભાગમાં મરામત કરતો હતો. કઈલાના અર્ધા જિલ્લાનો અધિકારી હશાબ્યા તેના જિલ્લા તરફથી તે પછીના ભાગની મરામત કરતો હતો. હેનાદાદનો પુત્ર બાવ્વાય, જે કઈલા જિલ્લાના બીજા અર્ધા ભાગનો અધિકારી હતો, તે તે પછીના ભાગમાં મરામત કરતો હતો. યેશૂઆનો પુત્ર એઝેર, જે મિસ્પાનો અધિકારી હતો તેણે શસ્ત્રાગાર આગળ જ્યાં કોટ વળાંક લે છે ત્યાં સુધીના ભાગની મરામત કરી. તે પછીના ભાગમાં ઝબ્બાયનો પુત્ર બારુખ છેક પ્રમુખ યજ્ઞકાર એલ્યાશીબના ઘરના પ્રવેશદ્વાર સુધી મરામત કરતો હતો. હાક્કોસના પુત્ર ઉરિયાનો પુત્ર મરેમોથ એલ્યાશીબના ઘરના છેક બીજા છેડા સુધીના ભાગમાં મરામત કરતો હતો. કોટના પછીના જુદા જુદા ભાગોની મરામત નીચે જણાવેલા યજ્ઞકારોએ કરી: યરુશાલેમની આસપાસ વસતા યજ્ઞકારો કોટના તે પછીના ભાગમાં મરામત કરતા હતા. બિન્યામીન અને હાશ્શૂબ તેમના ઘરની સામેના ભાગમાં આવેલા કોટની મરામત કરતા હતા. અનાન્યાના પુત્ર માસેયાનો પુત્ર અઝાર્યા પોતાના ઘરની સામેના ભાગમાં આવેલા કોટની મરામત કરતો હતો. હેનાદાદનો પુત્ર બિન્‍નુઈ અઝાર્યાના ઘરથી કોટના ખાંચા સુધીના ભાગમાં મરામત કરતો હતો. ઉઝાયનો પુત્ર પાલાલ કોટના ખાંચાથી માંડીને સંરક્ષકોના ચોક નજીક રાજાના ઉપલા મહેલના બુરજ સુધીના બીજા ભાગમાં મરામત કરતો હતો. પારોશનો પુત્ર પદાયા તે પછીના ભાગમાં “પાણી દરવાજા” અને મંદિરના ચોકીના બુરજ પાસે પૂર્વમાં આવેલા સ્થાન સુધી મરામત કરતો હતો. (એ સ્થાન તો ઓફેલ નામે ઓળખાતા શહેરના એક ભાગમાં હતું અને ત્યાં મંદિરના સેવકો રહેતા હતા.) *** તકોઆના માણસો તે પછીના તેમના બીજા એક ભાગમાં એટલે મંદિરના મોટા ચોકી બુરજની સામેથી શરૂ કરીને છેક ઓફેલ નજીકના કોટ સુધી મરામત કરતા હતા. “અશ્વદરવાજા” શરૂ થતા પછીના ભાગમાં કેટલાક યજ્ઞકારો પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. પછીના ભાગમાં ઇમ્મેરનો પુત્ર સાદોક તેના ઘરની સામેના ભાગમાં મરામત કરતો હતો. “પૂર્વના દરવાજા” દરવાન, શખાન્યાનો પુત્ર શમાયા પછીના ભાગમાં મરામત કરતો હતો. તે પછીના ભાગમાં શેલેમ્યાનો પુત્ર હનાન્યા અને સાલાફનો છઠ્ઠો પુત્ર હાનૂન તેમના બીજા ભાગનું મરામતકામ કરતા હતા. પછીના ભાગમાં બેરેખ્યાનો પુત્ર મશુલ્લામ તેના ઘરની સામે મરામત કામ કરતો હતો. એના પછી સોની માલકિયા ઈશાન ખૂણામાં કોટની ઉપર આવેલી ઓરડી નજીક મંદિરના “મિફક્દ દરવાજા” પાસે આવેલ મંદિરના સેવકો અને વેપારીઓનાં મકાન સુધીના ભાગની મરામતકામ કરતો હતો. સોનીઓ અને વેપારીઓ ખૂણામાં આવેલી ઓરડીથી માંડીને “ઘેટાંના દરવાજા” સુધીના આખરી ભાગનું મરામત કરતા હતા. અમે યહૂદીઓ ફરીથી કોટ બાંધવા લાગ્યા છીએ એવું જ્યારે સાનબાલ્લાટે સાંભળ્યું ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠયો, અને તેણે અમારી મશ્કરી કરવા માંડી. પોતાના સાથીદારો અને સમરુની સૈન્યની સમક્ષ તેણે કહ્યું, “આ દુર્બળ યહૂદીઓ શું કરવા ધારે છે? શું તેઓ ફરીથી આ શહેર બાંધવા માગે છે? બલિદાનો ચડાવવાથી એક દિવસમાં કામ પૂરું થઈ જશે એવું તેઓ માને છે? બળેલા પથ્થરોના ટુકડાઓના ઢગલામાંથી તેઓ બાંધકામના પથ્થરો પેદા કરી શકશે?” હવે આમ્મોની ટોબિયા તેની પાસે ઊભો હતો. તે બોલ્યો, “ભલેને તેઓ કોટ બાંધે, એક શિયાળવુંય તેના પર ચડે તોય તે પડી જશે!” મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, તેઓ અમારી કેવી મજાક કરે છે તે સાંભળો. તેમની ઠઠ્ઠામશ્કરીનું પરિણામ તેમને જ ભોગવવા દો. તેમનું સર્વસ્વ લૂંટાઈ જાય અને વિદેશમાં તેઓ કેદી તરીકે લઈ જવાય એવું કરો. તમે તેમના દુરાચારની ક્ષમા આપશો નહિ અને તેમનાં પાપ ભૂલી જશો નહિ. કારણ, તેમણે અમ બાંધનારાઓનું અમારી સામે જ અપમાન કર્યું છે.” એમ અમે કોટનું બાંધકામ ચાલુ રાખ્યું, અને થોડા સમયમાં તો આખો કોટ તેની અડધી ઊંચાઈ સુધી બંધાઈ ગયો; કારણ, લોકો કામ કરવા આતુર હતા. સાનબાલ્લાટ તથા ટોબિયાએ તેમજ અરબોએ, આમ્મોનીઓએ અને આશ્દોદીઓએ સાંભળ્યું કે અમે યરુશાલેમના કોટને ફરી બાંધવાના કામમાં પ્રગતિ કરી રહ્યા છીએ અને કોટનાં ગાબડાં પૂરાવાં લાગ્યાં છે ત્યારે તેઓ ખૂબ જ રોષે ભરાયા. તેથી યરુશાલેમ આવવા અને તેના પર હુમલો કરી અમારા કામમાં ખલેલ પહોંચાડવાનો તેમણે સૌએ મળીને પ્રપંચ કર્યો. પણ અમે ઈશ્વરને પ્રાર્થના કરી અને રાતદિવસ તેમની તપાસ રાખવા અમે માણસો મૂક્યા. યહૂદિયાના લોકો કહેતા હતા, “ભાર ઊંચકનાર મજૂરોની તાક્ત ઘટતી જાય છે, અને તૂટેલા પથરા પાર વગરના પડયા છે. આપણાથી આ કોટ કેવી રીતે પૂરો થશે.” અમારા શત્રુઓએ વિચાર્યું કે તેઓ અમારા પર આક્રમણ કરીને અમને મારી નાખે અને અમારું કામ થંભાવી દે ત્યાં સુધી અમે તેમને જોવાના નથી કે કંઈ જાણવાના નથી. પણ અમારા શત્રુઓ મધ્યે વસતા યહૂદીઓ અવારનવાર આવીને અમારા શત્રુઓના પ્રપંચથી અમને ચેતવી દેતા. તેથી જ્યાં કોટ આૂરો હોય તેવા સ્થાનોમાં મેં લોકોને તેમના ગોત્રવાર તલવારો, ભાલાઓ અને ધનુષ્યો સજાવીને ગોઠવી દીધા. લોકોને ભયભીત થયેલા જોઈને મેં તેમને તથા તેમના આગેવાનો અને અધિકારીઓને કહ્યું, “આપણા દુશ્મનોથી ગભરાશો નહિ. પ્રભુ કેવા મહાન અને આદરણીય છે તે સંભારીને તમારા દેશબાંધવો, તમારાં સંતાનો, તમારી પત્નીઓ અને તમારાં ઘરો માટે લડો.” અમારા દુશ્મનોએ સાંભળ્યું કે અમને તેમના કાવતરાની ખબર પડી ગઈ છે અને ઈશ્વરે તેમની યોજના ઊંધી વાળી છે. પછી અમે સૌ કોટ પર પોતપોતાના કામ પર પાછા ગયા. તે વખતથી મારા અર્ધા માણસો કામ કરતા, જ્યારે બાકીના અર્ધા માણસો બખ્તર પહેરીને તથા ભાલા, ઢાલો અને ધનુષ્યો સજીને ચોકીપહેરો કરતા. આગેવાનો પણ કોટનું કામ કરતાં કરતાં યહૂદિયાના લોકોનું ધ્યાન રાખતા હતા. બાંધકામનો સરસામાન ઊંચકનારા પણ એક હાથે કામ કરતા અને બીજા હાથમાં શસ્ત્ર રાખતા, બાંધકામમાં રોક્યેલ પ્રત્યેક જણ પોતાની કમરે તલવાર લટકાવી રાખતો. ચેતવણી માટેનું રણશિંગડું વગાડનાર મારી સાથે રહેતો. મેં લોકોને તથા તેમના અધિકારીઓ અને આગેવાનોને કહ્યું, “કામ ખૂબ મોટું અને ફેલાયેલું છે અને આપણે કોટ ઉપર એકબીજાથી છૂટા પડી ગયેલા છીએ. તેથી જો તમે રણશિંગડું સાંભળો તો મારી પાસે એકઠા થઈ જજો. આપણા ઈશ્વર આપણે માટે લડશે.” એ પ્રમાણે દરરોજ વહેલી પરોઢથી રાત્રે તારા દેખાય ત્યાં સુધી અમારામાંના અર્ધા માણસો કોટ પર કામ કરતા, જ્યારે બાકીના અર્ધા માણસો ભાલા સજીને ચોકીપહેરો ભરતા. એ સમય દરમ્યાન મેં લોકોને કહ્યું કે તેમણે તેમના સાથીદારો સહિત રાત્રે યરુશાલેમમાં જ રોકાવું, જેથી આપણે રાત્રે શહેરનું રક્ષણ કરી શકીએ અને દિવસે કામ કરી શકીએ. હું, મારા સાથીદારો, મારા ચાકરો કે મારા સંરક્ષકોમાંથી કોઈ પોતાનાં વસ્ત્ર ઉતારતા નહિ. અમે બધા શસ્ત્રસજિજત જ રહેતા. થોડા સમય બાદ લોકોમાંથી ઘણા સ્ત્રીપુરુષો પોતાના યહૂદી ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ કરવા લાગ્યા. કેટલાકે કહ્યું, “અમારાં કુટુંબો ઘણાં મોટાં છે અને અમે જીવતા રહીએ તે માટે અમારે અનાજની જરૂર છે.” બીજા કેટલાકે કહ્યું, “અમારે ભૂખમરાથી બચવા માટે અનાજ ખરીદવા માટે અમારાં ખેતરો અને દ્રાક્ષવાડીઓ ગીરે મૂકવાં પડયાં છે.” વળી, બીજાઓએ કહ્યું, “અમારાં ખેતરો અને દ્રાક્ષવાડીઓ પર લદાયેલા રાજના કરવેરા ભરવા અમારે ઉછીના પૈસા લેવા પડયા છે. અમે પણ અમારા સાથી યહૂદી ભાઈઓના જાતવંશના જ છીએ. અમારાં બાળકો પણ તેમનાં જ બાળકો જેવાં નથી? પણ અમારાં પુત્રો અને પુત્રીઓને અમારે ગુલામ થવા દેવાં પડયાં છે. અમારી કેટલીક પુત્રીઓને પણ અમારે ગુલામ તરીકે વેચવી પડી છે. અમારાં ખેતરો અને દ્રાક્ષવાડીઓ જપ્ત કરી લેવાયાં છે અને અમે તદ્દન નિરુપાય છીએ.” તેમની ફરિયાદનો પોકાર સાંભળીને મને ખૂબ ક્રોધ ચઢયો. અને મેં પગલાં ભરવાનો મનમાં નિર્ધાર કર્યો. મેં લોકોના આગેવાનો અને અધિકારીઓને ધમકાવી નાખ્યા અને તેમને કહ્યું, “તમે તમારા જ ભાઈઓ પર અત્યાચાર કરો છો!” એ પ્રશ્ર્નના નિરાકરણ માટે મેં જાહેર સભા બોલાવી. પછી મેં કહ્યું, “આપણા જે યહૂદી ભાઈઓને પરપ્રજાના ગુલામ તરીકે વેચાઈ જવું પડયું હતું તેમને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવી લીધા છે. હવે તમે તમારા ભાઈઓને પોતાના જ સાથી યહૂદી ભાઈઓના ગુલામ થવાની ફરજ પાડો છો!” આગેવાનોએ મૌન સેવ્યું અને શું કહેવું તે તેમને સૂઝયું નહિ. પછી મેં કહ્યું, “આ તમે બહુ જ ખોટું કરો છો. તમારે તો ઈશ્વરથી ડરીને સદાચારથી વર્તવું જોઈએ. એવું કરશો તો તમે આપણા બિનયહૂદી શત્રુઓને આપણી નિંદા કરવાનું નિમિત્ત આપશો નહિ. મેં, મારા સાથીદારો અને મારા નોકરોએ પણ લોકોને ઉછીના પૈસા અને અનાજ આપ્યાં છે. તો હવે તેમને બધી વસૂલાત માફ કરી દઈએ. તેમને તમારું પૈસા કે અનાજ કે દ્રાક્ષાસવ કે ઓલિવ તેલનું તેમનું જે કંઈ દેવુ હોય તે રદ બાતલ કરી દો અને હમણાં જ તેમને તેમનાં ખેતરો, દ્રાક્ષવાડીઓ, ઓલિવવાડીઓ અને ઘરો પરત કરી દો.” આગેવાનોએ જવાબ આપ્યો, “અમે તમારા કહ્યા પ્રમાણે કરીશું. અમે માલમિલક્ત પાછી આપી દઈશું અને તેમની પાસેથી દેવું વસૂલ નહિ કરીએ.” મેં યજ્ઞકારોને બોલાવ્યા અને તેમની સમક્ષ આગેવાનોને તેમણે આપેલું વચન તેઓ પાળે તેવા સમ ખવડાવ્યા. પછી મેં કમરે ગાંઠે બાંધેલ વસ્ત્ર છોડીને ખંખેરી નાખતાં કહ્યું, “તમારામાંથી પોતાનું વચન ન પાળનારને પ્રભુ આ રીતે ખંખેરી નાખશે. ઈશ્વર તમારાં ઘર અને તમારું સર્વસ્વ લઈ લેશે અને તમને ખાલીખમ કરી નાખશે.” ત્યાં હાજર એવા બધા લોકો “આમીન” બોલ્યા અને પ્રભુની સ્તુતિ કરી. આગેવાનોએ પણ પોતાનું વચન પાળ્યું. આર્તાશાસ્તા રાજાના અમલના વીસમા વર્ષથી તે બત્રીસમા વર્ષ સુધી યહૂદિયા દેશના રાજ્યપાલ તરીકેનાં બાર વરસો દરમ્યાન મેં કે મારા સગાંસંબંધીઓએ મને રાજ્યપાલ તરીકે મળવાપાત્ર ખાધાખોરાકી પૈકી કંઈ લીધું નથી. મારી અગાઉના બધા રાજ્યપાલો લોકોને બોજારૂપ હતા. તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષાસવ પેટે દરરોજના રૂપાના ચાલીસ શેકેલના સિક્કા લેતા હતા. તેમના નોકરો પણ લોકો પર જુલમ ગુજારતા હતા. પણ હું ઈશ્વરની બીક રાખતો હોવાથી એ પ્રમાણે વર્ત્યો નથી. મેં મારી બધી શક્તિ કોટના મરામતના કામમાં લગાડી અને મેં કોઈ જમીનજાગીર ખરીદી નહિ. મારી સાથેના સર્વ કાર્યકરો કોટના બાંધકામ જ ચાલુ રહ્યા. આસપાસના દેશોમાંથી મારી પાસે આવતા બધા લોકો ઉપરાંત યહૂદી લોકો અને તેમના આગેવાનોમાંના દોઢસો માણસોને દરરોજ મારે ખર્ચે એક બળદ, છ ઉત્તમ ઘેટાં અને ઘણાં બધાં મરઘાંનું ભોજન પીરસાતું હતું. દર દસ દિવસે હું તાજો દ્રાક્ષાસવ પૂરો પાડતો, અને એમ મેં રાજ્યપાલ તરીકે મને મળવાપાત્ર ખાધા ખોરાકી પૈકી કંઈ માગ્યું નહોતું; કારણ, લોકોનો આર્થિક બોજો ઘણો ભારે હતો. “હે ઈશ્વર, મારી પ્રાર્થના છે કે આ લોકોના હક્ક માં મેં જે કંઈ કર્યું છે તે મારા લાભમાં સંભારજો.” સાનબાલ્લાટ, ટોબિયા, અરબી ગેશેમ અને અમારા અન્ય દુશ્મનોએ જાણ્યું કે અમે કોટનું બાંધકામ પૂરું કર્યું છે અને હવે તેમાં કોઈ ગાબડાં પૂરવાનાં બાકી રહ્યાં નથી. જો કે હજી અમે દરવાજાનાં બારણાં ચડાવ્યાં નહોતાં. તેથી સાનબાલ્લાટ અને ગેશેમે મને સંદેશો મોકલ્યો કે હું તેમને ઓનોના મેદાનના કોઈએક ગામમાં જઈને મળું. એમાં તો મને નુક્સાન પહોંચાડવાની તેમની કુયુક્તિ હતી. મેં તેમને સંદેશકો દ્વારા આમ કહેવડાવ્યું, “હું મહત્ત્વના કામમાં રોક્યેલો હોવાથી મારાથી ત્યાં આવી શકાય તેમ નથી. ત્યાં આવી તમને મળવા માટે હું કંઈ કામ અટકાવવાનો નથી.” તેમણે ચાર વખત એ સંદેશો મોકલ્યો અને મેં પણ દરેક વખતે એનો એ જ જવાબ મોકલ્યો. પછી સાનબાલ્લાટે તેના એક નોકર સાથે પાંચમી વખત સંદેશો મોકલ્યો. આ વખતનો સંદેશો મહોર કર્યા વગરના ખુલ્લા પત્રમાં મોકલ્યો. તેમાં આમ લખેલું હતું: “ગેશેમ કહે છે કે આસપાસના લોકોમાં એવી અફવા ઊડી છે કે યહૂદી લોકો બળવો કરવા માગે છે અને તેથી તેઓ કોટની મરામત કરવા લાગ્યા છે. તું પોતાને રાજા બનાવવા માગે છે એમ પણ તે કહે છે વળી, તું યહૂદિયાનો રાજા છે એવું જાહેર કરવા માટે તેં યરુશાલેમમાં કેટલાક સંદેશવાહકોની પણ ગોઠવણ કરી છે. સમ્રાટને આની જાણ થયા વગર રહેવાની નથી, તેથી આ પરિસ્થિતિ અંગે મંત્રણા કરવા આપણે બન્‍ને મળીએ એવું મારું સૂચન છે.” મેં તેને જવાબ મોકલાવ્યો, “તું જે કહે છે તેમાં કંઈ તથ્ય નથી. એ તો તારી ઉપજાવી કાઢેલી વાત છે.” અમે કામ પડતું મૂકીએ તે માટે તેઓ અમને ડરાવવા માગતા હતા. મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, તમે મને બળ આપો!” એ દરમિયાન હું મહેટાબએલના પુત્ર દલાયાના પુત્ર શમાયાને મળવા તેને ઘેર ગયો, કારણ, તે ઘર બહાર નીકળી શકે તેમ નહોતો. તેણે મને કહ્યું, “તું અને હું મંદિરના પવિત્રસ્થાનમાં જઈને ત્યાં સંતાઈ જઈએ અને બારણાં બંધ કરી દઈએ. કારણ, તેઓ તને મારી નાખવા આવનાર છે. ગમે તે રાતે તેઓ તને મારી નાખવા આવી ચડશે.” મેં જવાબ આપ્યો, “હું નાસીને સંતાઈ જાઉં એવો કંઈ ક્ચોપોચો માણસ નથી. તું એમ માને છે કે મારો જીવ બચાવવા હું મંદિરમાં સંતાઈ જઈશ? હું કંઈ એવું કરવાનો નથી.” વિચાર કરતાં મને સમજ પડી કે ઈશ્વરે શમાયાની સાથે કંઈ વાત કરી નથી, પણ મને આ ચેતવણી આપવા ટોબિયા અને સાનબાલ્લાટે તેને લાંચ આપી હતી. મને ગભરાવી દઈને પાપમાં પાડવા માટે તેમણે તેને પૈસા ચૂકવ્યા હતા કે જેથી તેઓ મારી અપકીર્તિ કરે અને મને ઉતારી પાડે. મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, ટોબિયા અને સાનબાલ્લાટનું આ કૃત્ય સંભારીને તેમને શિક્ષા કરો. પેલી નોઆદ્યા સંદેશવાહિકા અને અન્ય સંદેશવાહકો જેમણે મને ડરાવવા પ્રયાસ કર્યા છે તેમનેય યાદ રાખજો.” બાવન દિવસના કામ પછી એલૂલ માસની પચીસમી તારીખે કોટ પૂરો થયો. આસપાસના દેશોના અમારા દુશ્મનોએ એ સાંભળ્યું ત્યારે તેઓ ભોંઠા પડી ગયા અને તેમને ખબર પડી કે ઈશ્વરની મદદથી જ આ કામ થયું છે. આ બધા સમય દરમ્યાન યહૂદિયાના આગેવાનો ટોબિયા સાથે પત્રવ્યવહાર કરતા. એમને એમના પત્રોના ટોબિયા તરફથી જવાબ પણ મળતા. યહૂદિયામાં ઘણા યહૂદીઓ ટોબિયા સાથે ભળેલા હતા; કારણ ટોબિયા આરાહના પુત્ર યહૂદી શખાન્યાનો જમાઈ હતો. વળી, ટોબિયાના પુત્ર યહોહાનને બેરેખ્યાના પુત્ર મેશુલ્લામની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. લોકો મારી આગળ ટોબિયાનાં સારાં સારાં કામોનાં વખાણ કરતા અને મારી સઘળી વાત તેને કહી દેતા. તે મને ડરાવવા માટે પત્રો લખ્યા કરતો. હવે કોટની મરામત પૂરી થઈ ગઈ અને દરવાજાનાં બારણાં ચડાવી દેવામાં આવ્યાં. મંદિરના સંરક્ષકો, પવિત્ર ગાયકવૃંદના સભ્યો અને અન્ય લેવીઓને તેમના કામની સોંપણી કરવામાં આવી. યરુશાલેમના વહીવટ માટે મેં બે માણસોની નિમણૂક કરી: એક તો મારો ભાઈ હનાની અને બીજો કિલ્લાનો અમલદાર હનાન્યા. હનાન્યા સૌથી ભરોસાપાત્ર અને ઈશ્વરથી ડરીને ચાલનાર માણસ હતો. મેં તેમને યરુશાલેમના દરવાજા સવારમાં સૂર્યોદય થાય તે પછી જ ઉઘાડવા તેમજ સૂર્યાસ્ત વખતે સંરક્ષકો પોતાની ફરજ પરથી જાય તે પહેલાં તેમને બંધ કરી તેમના પર પાટિયાં ગોઠવી દેવા સૂચના આપી. વળી, યરુશાલેમમાં વસતા લોકોમાંથી સંરક્ષકોની નિમણૂક કરવા અને તેમાંના કેટલાકને નિયત ચોકીઓ પર ઊભા રાખવા તથા બીજા કેટલાકને તેમના પોતાનાં ઘરની આસપાસ ફરતા રહી ચોકીપહેરા કરતા રહેવા મેં તેમને જણાવ્યું. યરુશાલેમ તો બહુ મોટું શહેર હતું, પણ તેમાં ઝાઝા લોક રહેતા નહોતા અને હજી ઘણાં ઘર બંધાયાં નહોતાં. લોકોને તેમ જ તેમના આગેવાનો અને અમલદારોને એકઠા કરી તેમનાં કુટુંબોની વંશાવળીની ચક્સણી કરી લેવા ઈશ્વરે મારા મનમાં પ્રેરણા કરી. દેશનિકાલમાંથી જેઓ પ્રથમ પાછા ફર્યા હતા તેમની વંશાવળીની નોંધ મેં મેળવી, અને તેમાંથી મને આવી માહિતી મળી: દેશનિકાલમાં ગયેલા ઘણા લોકો બેબિલોન પ્રાંત છોડીને યરુશાલેમ અને યહૂદિયામાં પાછા ફર્યા અને પોતપોતાના વતનના ગામમાં જઈ વસ્યા. નબૂખાદનેસ્સાર રાજા લોકોને કેદ કરી બેબિલોન લઈ ગયો ત્યારથી તેમનાં કુટુંબો ત્યાં દેશનિકાલમાં હતા. તેમના આગેવાનોમાં ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિશ્પરેથ, બિગ્વાઈ, નહૂમ અને બાના હતા. દેશનિકાલમાંથી પાછા ફરેલા ઇઝરાયલી લોકોની ગોત્રવાર સંખ્યા દર્શાવતી યાદી નીચે મુજબ છે: પારોશ — 2,172 શફાટયા — 372 આરાહ — 652 પાહાથ - મોઆબ (યેશૂઆ અને યોઆબના વંશજો) — 2,818 એલામ — 1,254 ઝાત્તુ — 845 ઝાક્કાય — 360 બિન્‍નૂઈ — 648 બેબાય — 628 આઝગાદ — 2,322 અદોનીકામ — 667 બિગ્વાઈ — 2067 આદીન — 655 આટેર (જે હિઝકિયા પણ કહેવાતો) — 98 હાશૂમ — 328 બેઝાય — 324 હારિફ — 112 ગિબ્યોન — 95 *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** જે લોકોના પૂર્વજો નીચે જણાવેલા નગરોમાં વસતા હતા તેઓ પણ પાછા ફર્યા: બેથલેહેમ અને નટોફા — 188 અનાથોથ — 128 બેથઆઝમાવેથ — 42 કિર્યાથયઆરીમ, કફીરા અને બએરોથ — 743 રામા અને ગેબા — 621 મિખ્માશ — 122 બેથેલ અને આય — 123 બીજું નબો — 52 બીજું એલામ — 1,254 હારીમ — 320 યરીખો — 345 લોદ હાદીદ અને ઓનો — 721 સનાયા — 3,930 *** *** *** *** *** *** *** *** *** *** *** *** દેશનિકાલમાંથી પાછા ફરેલા યજ્ઞકારોની ગોત્રવાર યાદી નીચે મુજબ છે: યદાયા (યેશૂઆના વંશજો) — 973 ઈમ્મે2 — 1,052 પાશ્હૂર — 1,247 હારીમ — 1,017 *** *** *** દેશનિકાલમાંથી પાછા ફરેલા લેવીઓની ગોત્રવાર યાદી નીચે મુજબ છે: યેશૂઆ અને ક્દમીએલ (હોદાવ્યાના વંશજો) — 74 મંદિરના સંગીતકારો (આસાફના વંશજો) — 148 મંદિરના સંરક્ષકો (શાલ્લૂમ, આટેર, ટાલ્મોન, આકકૂબ, હટીટા અને શોબાયના વંશજો) — 138 *** *** દેશનિકાલમાંથી પાછા ફરેલા મંદિરના સેવકોનાં ગોત્રોની યાદી નીચે મુજબ છે: સીહા, હસૂફા, ટાબ્બાઓથ; કેરોસ, સીઆ, પાદોન; લબાના, હગાબા, સાલ્માય; હાનાન, ગિદ્દેલ, ગાહાર; રઆયા, રસીન, નકોદા; ગાઝઝામ, ઉઝઝા, પાસેઆ; બેસાય, મેઉનીમ, નફૂશશીમ; બાકબૂક, હાકૂફા, હાર્હૂર; બાસ્લીથ, મહિદા, હાર્શા; બાર્કોસ, સીસરા, તેમા; નસીઆ, હટીશ. *** *** *** *** *** *** *** *** *** *** દેશનિકાલમાંથી પાછા ફરેલા શલોમોનના સેવકોના વંશજોની ગોત્રવાર યાદી નીચે મુજબ છે: સોટાય, સોફેરેથ, પરીદા; યાઅલા, દાર્કોન, ગિદ્દેલ; શફાય્યા, હાટ્ટીલ, પોખેરેથ-હાસ્સબાઇમ, આમોન *** *** મંદિરના સેવકો અને શલોમોનના સેવકોના દેશનિકાલમાંથી પાછા ફરેલા વંશજોની કુલ સંખ્યા 392 હતી. તેલ-મેલા, તેલ-હાર્શા, કરૂબ, આદ્દોન અને ઇમ્મેર નગરોમાંથી જેઓ પાછા ફર્યા તેઓ દલાયા, ટોબિયા અને નકોદાના ગોગમાંના હતા અને તેમની સંખ્યા 642 હતી, પણ તેઓ ઇઝરાયલના વંશજો છે તે સાબિત કરી શક્યા નહિ. *** નીચે જણાવેલ યજ્ઞકારોનાં ગોત્ર પોતાનો વંશ સાબિત કરવા વંશાવળીમાં તે અંગેની નોંધ બતાવી શક્યા નહિ. હોબાયા, હાક્કોસ, અને બાર્ઝિલાય (બાર્ઝિલાયના ગોત્રના પૂર્વજે ગિલ્યાદના બાર્ઝિલાય ગોત્રની સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું અને પોતાના સસરાના ગોત્રનું નામ અપનાવ્યું હતું.) તેમના પૂર્વજો કોણ હતા તે તેઓ સાબિત કરી શકયા નહિ, તેથી તેમનો યજ્ઞકાર તરીકે સ્વીકાર થયો નહિ. *** યહૂદી રાજ્યપાલે તેમને કહ્યું કે ઉરીમ અને થુમ્મીમનો ઉપયોગ કરનાર યજ્ઞકાર નક્કી થાય ત્યાં સુધી તેમણે ઈશ્વરને અર્પિત ખોરાકમાંથી કંઈ ખાવું નહિ. દેશનિકાલમાં પાછા ફરેલા લોકોની કુલ સંખ્યા 42,360 હતી. તેમના સ્ત્રીપુરુષ નોકરો — 7,337 તેમનાં ગાયકો અને ગાયિકાઓ — 245 ઘોડા — 736 ખચ્ચર — 245 ઊંટ — 435 ગધેડાં — 6,720 *** *** *** મંદિરના પુનરોદ્ધાર માટે ઘણા લોકોએ ફાળો આપ્યો: રાજ્યપાલ તરફથી — 8.5 કિલોગ્રામ સોનું — 50 ક્રિયાકાંડમાં વપરાતા પ્યાલા — 530 યજ્ઞકારો માટેના ઝભ્ભા ગોત્રોના આગેવાનો તરફથી — 170 કિલોગ્રામ સોનું — 1.2 મેટ્રિક ટન ચાંદી બાકીના લોકો તરફથી — 170 કિલોગ્રામ સોનું — 1.1 મેટ્રિક ટન ચાંદી — 67 યજ્ઞકારો માટેના ઝભ્ભા *** *** યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંરક્ષકો, સંગીતકારો, અન્ય સામાન્ય પ્રજાજનો, મંદિરના સેવકો. એમ ઇઝરાયલીઓના સર્વ લોકો યહૂદિયાનાં ગામો અને નગરોમાં વસ્યા. સાતમો માસ આવ્યો ત્યાં સુધીમાં તો ઇઝરાયલના બધા લોકો પોતપોતાનાં નગરોમાં ઠરીઠામ થઈ ગયા. એ માસને પ્રથમ દિવસે તેઓ સૌ યરુશાલેમમાં પાણીના દરવાજાની અંદર તેની અડોઅડ આવેલા ચોકમાં એકઠા થયા. પ્રભુએ મોશે દ્વારા ઇઝરાયલી લોકોને ફરમાવેલા નિયમશાસ્ત્રનું પુસ્તક લાવવા લોકોએ એઝરાને કહ્યું. એઝરા તો યજ્ઞકાર અને એ નિયમમાં વિદ્વાન હતો. તેથી સ્ત્રી, પુરુષો અને સાંભળીને સમજી શકે તેવાં બાળકો જ્યાં એકત્ર થયાં હતાં ત્યાં એઝરા એ પુસ્તક લઈ આવ્યો. ‘પાણીના દરવાજા’ પાસેના ચોકમાં એઝરાએ સવારથી બપોર સુધી નિયમશાસ્ત્રનું વાંચન કર્યું. લોકો ધ્યનથી સાંભળતા હતા. એઝરા આ પ્રસંગને માટે બાંધવામાં આવેલ લાકડાના મંચ પર ઊભો હતો. તેની જમણી તરફ આ માણસો ઊભા હતા: માત્તિથ્યા, શેમા, અનાયા, ઉરિયા, હિલકિયા તથા માસેયા. તેની ડાબી તરફ આ માણસો ઊભા હતા: પદાયા, મીશાએલ માલકિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા અને મશુલ્લામ. એઝરા બધા લોકો કરતા ઊંચે ઊભો હતો, અને બધા લોકોની આંખો તેના પર મંડાયેલી હતી. તેણે જેવું પુસ્તક ઉઘાડયું, કે સર્વ લોક ઊભા થઈ ગયા. એઝરાએ કહ્યું, “મહાન ઈશ્વર યાહવેની સ્તુતિ થાઓ!” બધા લોકોએ હાથ ઊંચા કરીને “આમીન, આમીન!” એવું બોલતાં પ્રત્યુત્તર વાળ્યો. ભૂમિ તરફ પોતાનાં માથાં ટેકવીને તેમણે ધૂંટણિયે પડીને આરાધના કરી. પછી તેઓ ઊભા થયા અને પોતપોતાને સ્થાને ઊભા રહ્યા, અને આ સાથે જણાવેલ લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજાવતા હતા: યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કૂબ, શાબ્બાથાય, હોદિયા, માસેયા, કલીટા અઝાર્યા, યોઝાબાદ, હાનાન, પલાયા. લોકો સમજી શકે તે માટે તેઓ ઈશ્વરના નિયમનો અનુવાદ કરી તેમને સમજાવતા. નિયમની માગણીઓ વિષે સાંભળીને લોકો હચમચી ગયા અને રડવા લાગ્યા. તેથી રાજ્યપાલ નહેમ્યા, યજ્ઞકાર અને નિયમશાસ્ત્રનો વિદ્વાન એઝરા અને લોકોને નિયમશાસ્ત્ર સમજાવનાર લેવીઓએ સર્વ લોકોને કહ્યું, “આ દિવસ તો તમારા ઈશ્વર પ્રભુનો પવિત્ર દિવસ છે, તેથી તમારે શોક કે રુદન કરવાનું નથી. તો હવે ઘેર જઈને મિજબાની કરો. જેઓ તંગીમાં છે તેવાંઓને તમારાં ખાનપાનમાંથી આપો. આજનો દિવસ તો આપણા પ્રભુને માટે પવિત્ર છે; તેથી ઉદાસ થશો નહિ. પ્રભુ જે આનંદ આપે છે તેનાથી તમે બળ પામશો.” લેવીઓએ પણ લોકોમાં ફરીને આવા પવિત્ર દિવસે ઉદાસ ન થવાનું કહીને તેમને શાંત પાડયા. તેથી સઘળા લોકો ઘેર ગયા અને આનંદથી ખાધુંપીધું અને પોતાની પાસે જે કંઈ હતું તેમાંથી બીજાઓને પણ આપ્યું; કારણ, તેમને નિયમશાસ્ત્રમાંથી જે વાંચી સંભળાવવામાં આવ્યું હતું તે તેઓ સમજ્યા હતા. બીજે દિવસે યજ્ઞકારો અને લેવીઓની સાથે ગોત્રોના આગેવાનો નિયમશાસ્ત્રના શિક્ષણના અભ્યાસ અર્થે એઝરા પાસે ગયા. પ્રભુએ મોશે દ્વારા આપેલા નિયમશાસ્ત્ર પરથી તેમને એવું માલૂમ પડયું કે માંડવાપર્વના દિવસોમાં ઇઝરાયલીઓને માંડવાઓમાં રહેવાની આજ્ઞા અપાયેલી છે. તેથી તેમણે યરુશાલેમ અને બીજાં બધાં શહેરો અને નગરોમાં આવી સૂચનાઓ મોકલી આપી: “પર્વતો પર જઈને દેવદાર, ઓલિવ, મેંદી, ખજૂરી અને એવાં અન્ય ઘટાદાર વૃક્ષોની ડાળીઓ લઈ આવો અને નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ પ્રમાણે માંડવા બનાવો.” તેથી લોકો ડાળીઓ લઈ આવ્યા અને તેમના ઘરના ધાબા પર, તેમના આંગણાંમાં, મંદિરના ચોકમાં અને પાણીના દરવાજા પાસેના ચોકમાં અને એફ્રાઈમના દરવાજા પાસેના ચોકમાં માંડવા બાંયા. દેશનિકાલમાંથી પાછા ફરેલા બધા લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા. નૂનના પુત્ર યહોશુઆના સમય પછી પ્રથમ જ વાર આ રીતે આ પર્વ ઊજવવામાં આવ્યું. લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદ હતો. પર્વના પ્રથમથી છેલ્લા દિવસ સુધી તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રમાં દરરોજ અમુક ભાગ વાંચતા. સાત દિવસ સુધી તેમણે ઉત્સવ મનાવ્યો, અને આઠમે દિવસે, નિયમશાસ્ત્રમાં નિયત કર્યા મુજબ પર્વનું સમાપન કર્યું. એ જ માસની ચોવીસમી તારીખે ઇઝરાયલી લોકો પોતાનાં પાપનું દુ:ખ વ્યક્ત કરવા ઉપવાસ કરીને ભેગા થયા. શોકની નિશાની તરીકે તેમણે તાટનાં વસ્ત્ર પહેર્યાં હતાં અને પોતાના માથા પર ધૂળ નાખી હતી. સર્વ પરદેશીઓ સાથેના સંબંધથી હવે તેઓ અલગ થઈ ગયા હતા. તેઓ ઊભા થયા અને તેમનાં તથા તેમના પૂર્વજોનાં પાપની કબૂલાત કરવા લાગ્યા. લગભગ ત્રણ કલાક સુધી તેમની આગળ તેમના ઈશ્વર પ્રભુના નિયમશાસ્ત્રનું વાંચન કરવામાં આવ્યું અને પછીના ત્રણ કલાક તેમણે પોતાનાં પાપની કબૂલાત કરી અને તેમના ઈશ્વર પ્રભુની ઉપાસના કરી. લેવીઓ માટે એક મંચ બાંધેલો હતો અને તેના પર યેશૂઆ, બાની, ક્દ્મીએલ, શબાન્યા, બૂન્‍ની, શેરેબ્યા, બાની તથા કનાની ઊભા હતા. તેમણે તેમના ઈશ્વર પ્રભુને મોટે ઘાંટે પ્રાર્થના કરી. યેશૂઆ, ક્દ્મીએલ, બાની, હશાબ્ન્યા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા એ લેવીઓએ આરાધના માટે આમંત્રણ આપ્યું: “ઊભા થાઓ, અને પ્રભુ તમારા ઈશ્વરની સ્તુતિ કરો; હરહમેશ તેમની પ્રશંસા કરો! જો કે માણસો ગમે તેટલી તેમની સ્તુતિ કરે તોય પૂરતી નથી, તોપણ સૌ કોઈ તેમના નામની પ્રશંસા કરો.” પછી ઇઝરાયલના લોકોએ આવી પ્રાર્થના કરી: “હે યાહવે, તમે એક માત્ર પ્રભુ છો; તમે આકાશો અને તારામંડળોનું સર્જન કર્યું છે. પૃથ્વી, સમુદ્ર અને તેમાંનું સર્વસ્વ પણ તમે જ બનાવ્યું છે; તમે સૌના જીવનદાતા છો. આકાશનાં સૈન્યો નમીને તમારું ભજન કરે છે. હે પ્રભુ પરમેશ્વર, તમે અબ્રામને પસંદ કરીને બેબિલોનના ઉરમાંથી કાઢી લાવ્યા; તમે તેનું નામ બદલીને અબ્રાહામ રાખ્યું. તે તમને વિશ્વાસુ માલૂમ પડયો અને તમે તેની સાથે કરાર કર્યો. ભવિષ્યમાં તેનાં સંતાનોને વસવા માટે તમે તેને કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો પરિઝ્ઝીઓનો, યબૂસીઓનો, અને ગિર્ગાશીઓનો દેશ આપવાનું કરારયુક્ત વચન આપ્યું. તમે તમારું વચન પાળ્યું પણ ખરું; કારણ, તમે વિશ્વાસુ છો. અમારા પૂર્વજો ઈજિપ્તમાં જે દુ:ખ ભોગવતા હતા તે તમે જોયું; સુફ સમુદ્ર પાસે તમે તેમનો મદદ માટેનો પોકાર સાંભળ્યો. તમે ફેરો રાજા, તેના અધિકારીઓ તથા તેના દેશના લોકો આગળ અદ્‍ભુત ચમત્કારો કર્યા; કારણ, તેમણે તમારા લોક પર કરેલો અત્યાચાર તમે જાણતા હતા. એ રીતે, જેમ આજે છે તેમ ત્યારે પણ તમે તમારી કીર્તિ ગજાવી હતી. તમે તમારા લોક માટે સમુદ્રમાં રસ્તો બનાવ્યો અને તેમને કોરી ભૂમિ પર પાર પહોંચાડયા. તોફાની સાગરમાં પથરો ડૂબી જાય તેમ તેમનો પીછો કરનાર શત્રુઓને તમે ઊંડા પાણીમાં ડૂબાવી દીધા. દિવસે તમે તેમને મેઘસ્થંભ મારફતે દોર્યા, તો રાત્રે તેમના માર્ગમાં પ્રકાશ પમાડવાને અગ્નિસ્થંભ રાખ્યો. સિનાઈ પર્વત પર તમે આકાશમાંથી ઊતર્યા, તમે તમારા લોકો સાથે બોલ્યા અને તેમને યથાર્થ અને સત્ય એવા નીતિનિયમો અને સારા વિધિઓ તથા આજ્ઞાઓ આપ્યાં. તમે તેમને તમારા સાબ્બાથો પવિત્ર પાળવાનું શીખવ્યું. અને તમારા સેવક મોશે મારફતે તમે તેમને આજ્ઞાઓ આદેશો અને નિયમો આપ્યાં. તેઓ ભૂખ્યા થયા ત્યારે તમે તેમને આકાશમાંથી ખોરાક આપ્યો; તેઓ તરસ્યા થયા ત્યારે ખડકમાંથી પાણી આપ્યું. તેમને જે દેશ આપવાનું તમે વચન આપ્યું હતું તેનો કબજો લેવા તમે તેમને જણાવ્યું. પણ અમારા પૂર્વજો ઘમંડી અને હઠીલા બન્યા અને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો. તેમણે આધીન થવાનો ઇનકાર કર્યો; ભલાઈનાં તમારાં બધાં કૃત્યો તેઓ ભૂલી ગયા; તમારા અદ્‍ભુત ચમત્કારો પણ તેઓ ભૂલી ગયા. પોતાના ઘમંડમાં તેમણે ઇજિપ્તની ગુલામીમાં પાછા જવાને એક આગેવાન પસંદ કરી દીધો. પણ તમે તો ક્ષમાશીલ ઈશ્વર છો; તમે કૃપાવંત, પ્રેમાળ અને મંદરોષી છો; તમારી દયા ઘણી મહાન છે; અને તમે તેમનો ત્યાગ કર્યો નહિ. તેમણે વાછરડાના આકારની મૂર્તિ બનાવી અને કહ્યું કે ઇજિપ્તમાંથી અમને મુક્ત કરનાર અમારો દેવ આ જ છે! હે પ્રભુ, તેમણે તમારું કેવું ભારે અપમાન કર્યું! પણ તમે તેમને રણપ્રદેશમાં છોડી દીધા નહિ, કારણ, તમારી દયા મહાન છે. દિવસે અને રાત્રે તેમને માર્ગ બતાવનાર મેઘસ્થંભ અને અગ્નિસ્થંભ તમે લઈ લીધા નહિ. તેમને દોરવણી આપવા માટે તમે તમારો ઉત્તમ આત્મા આપ્યો. તમે તેમને ખાવાને માન્‍ના આપ્યું અને તેમની તરસ છિપાવવા પીવાને પાણી આપ્યું. વેરાનપ્રદેશમાં ચાલીસ વર્ષ સુધી તમે તેમનું બધી રીતે પાલનપોષણ કરી નિભાવી રાખ્યા અને તેમને કશાની ખોટ પડી નહિ. તેમનાં વસ્ત્ર ર્જીણ થઈ ગયાં નહિ અને પીડાથી તેમના પગ સૂજી ગયા નહિ. તમે તેમને પ્રજાઓ અને રાજ્યો પર તેમ જ તેમની સરહદ નજીકના દેશો પર જય પમાડયો. તેમણે જ્યાં સિહોન રાજ કરતો હતો તે હેશ્બોનનો દેશ જીતી લીધો અને જ્યાં ઓગનું રાજ હતું તે બાશાનનો દેશ જીતી લીધો. તમે તેમને આકાશના તારાઓ જેટલાં સંતાન આપ્યાં, અને જે દેશ તેમના પૂર્વજોને આપવાનું તમે વચન આપ્યું હતું તે પ્રમાણે તમે તેમને આ દેશ જીતી લેવા દઈ તેમાં તેમને વસાવ્યા છે. એ પ્રમાણે તેમણે કનાન દેશ જીતી લીધો, અને ત્યાંના રહેવાસીઓનો તમે પરાજ્ય કર્યો. કનાનના લોકો અને રાજાઓ સાથે પોતાને ફાવે તેવો વર્તાવ કરવાને તમે તેમને શક્તિ આપી. તમારા લોકોએ કિલ્લેબંધીવાળાં નગરો, ફળદ્રુપ પ્રદેશ, સંપત્તિથી ભરેલાં ઘર, ખોદીને તૈયાર કરી રાખેલાં ટાંકાં, ઓલિવવૃક્ષો, ફળાઉ વૃક્ષો અને દ્રાક્ષવાડીઓ પર કબજો જમાવી દીધો. પોતાને જેટલું જોઈએ તેટલું તેમણે ખાધું અને ખાઈને પુષ્ટ થયા; તમારી આપેલી સઘળી સારી વસ્તુઓનો તેમણે સુખાનુભવ કર્યો. પણ તમારા લોકોએ તમારી વિરુદ્ધ બળવો કર્યો અને તમારી આજ્ઞા પાળી નહિ; તમારા નિયમશાસ્ત્રથી તેઓ વિમુખ થયા. તેમને ચેતવણી આપવાને તેમજ તમારી તરફ પાછા ફરવાનું કહેવાને તમે જે સંદેશવાહકો મોકલ્યા, તેમને તેમણે મારી નાખ્યા. તેમણે અવારનવાર તમારું અપમાન કર્યું. તેથી તમે તેમના શત્રુઓને જીત પમાડી અને તેમના પર રાજ કરવા દીધું. પોતાના દુ:ખમાં તેમણે તમને મદદ માટે પોકાર પાડયો, એટલે તમે આકાશમાંથી જવાબ આપ્યો. તમારી અપાર કૃપામાં તેમને તેમના શત્રુઓથી છોડાવવા તમે આગેવાનો મોકલી આપ્યા. પણ રાહત થઈ, એટલે વળી પાછા તેમણે પાપ કર્યું, અને ફરીથી તમે તેમના શત્રુઓને તેમના પર વિજય પમાડયો. છતાં જ્યારે તેમણે પસ્તાવો કર્યો અને બચાવ માટે વિનંતી કરી ત્યારે તમે આકાશમાંથી અવારનવાર તેમનું સાંભળ્યું. તમારા શિક્ષણ પ્રમાણે વર્તવાને તમે તેમને ચેતવણી આપી, પણ પોતાના ઘમંડમાં તેમણે તમારા નિયમનો અનાદર કર્યો; - જો કે તમારા નિયમનું પાલન તો જીવનપ્રાપ્તિનો માર્ગ છે! તુમાખીભર્યા અને હઠીલા હોવાથી તેઓ આધીન થયા નહિ. વરસોવરસ તમે તેમને ધીરજપૂર્વક ચેતવણી આપતા રહ્યા; તમે તમારા સંદેશવાહકોને સંદેશો પ્રગટ કરવાની પ્રેરણા કરી; પણ તમારા લોકો બહેરા બન્યા, તેથી તમે અન્ય પ્રજાઓને તેમના પર જીત મેળવવા દીધી. છતાં, તમારી દયા મહાન હોવાથી તમે તેમનો ત્યાગ કર્યો નહિ, કે તેમનો નાશ કર્યો નહિ. તમે તો કૃપાવંત અને દયાવંત ઈશ્વર છો! હે ઈશ્વર, અમારા ઈશ્વર, તમે કેવા મહાન છો! તમે કેવા ભયાવહ અને પરાક્રમી છો! તમે કરારપૂર્વક આપેલાં તમારાં વચનો વિશ્વાસુપણે પાળો છો. આશ્શૂરના રાજાઓએ અમારા પર અત્યાચાર કર્યો તે સમયથી આજસુધી અમારા રાજાઓ, આગેવાનો, યજ્ઞકારો અને પૂર્વજો અને અમારા સર્વ લોકોએ કેટલું દુ:ખ સહન કર્યું છે તે યાદ રાખજો. અમને શિક્ષા કરવામાં તમે વાજબી રીતે વર્ત્યા છો; અમે પાપ કર્યું હોવા છતાં તમે વિશ્વાસુ રહ્યા છો. અમારા પૂર્વજો, અમારા રાજાઓ, આગેવાનો અને યજ્ઞકારોએ તમારો નિયમ પાળ્યો નથી. તેમણે તમારી આજ્ઞાઓ અને ચેતવણીઓ પર લક્ષ આપ્યું નથી. તમે આપેલા મોટા અને ફળદ્રુપ દેશમાં તેઓ વસતા હતા ત્યારે રાજાઓ તમારી આશિષથી તેમના પર રાજ કરતા હતા; પણ પાપથી પાછા ફરવામાં અને તમારી સેવા કરવામાં તેઓ નિષ્ફળ ગયા. અત્યારે તો અમે તમારા આપેલા દેશમાં, એટલે જે ફળદ્રુપ ભૂમિ અમને ખોરાક પૂરો પાડે છે તેમાં ગુલામ છીએ. અમારા પાપને લીધે તમે અમારા પર નીમેલા રાજાઓને ફાળે ભૂમિની બધી ઊપજ જાય છે. તેઓ અમારો અને અમારાં ઢોરઢાંકનો તેમને ફાવે તેવો ઉપયોગ કરે છે, અને અમે ભારે વિપત્તિમાં છીએ!” “આ જે સઘળું બન્યું છે તેને લીધે અમે ઇઝરાયલી લોકો લેખિતમાં ગંભીર પ્રતિજ્ઞા કરીએ છીએ, અને અમારા આગેવાનો, અમારા લેવીઓ અને અમારા યજ્ઞકારો તે પર પોતાની મહોર મારે છે.” કરારમાં સૌ પ્રથમ સહી કરનાર હખાલ્યાનો પુત્ર રાજ્યપાલ નહેમ્યા હતો. તેના પછી સિદકિયાએ સહી કરી. નીચેના માણસોએ પણ સહીઓ કરી: યજ્ઞકારોમાં સહી કરનાર નીચેના માણસો હતા: સરાયા, અઝાર્યા, યર્મિયા, પાશ્હૂર, અમાર્યા, માલકિયા, હાટ્ટુશ, શબાન્યા, માલ્લૂખ, હારીમ, મરેમોથ, ઓબાદ્યા, દાનિયેલ, ગિન્‍નથોન, બારુખ, મશુલ્લામ, અબિયા, મીયામીન, માઝયા, બિલ્ગાય, શમાયા. *** *** *** *** *** *** લેવીઓમાં સહી કરનાર આ માણસો હતા: અઝાન્યાનો પુત્ર યેશૂઆ, હેનાદાદના ગોત્રનો બિન્‍નૂઈ, ક્દ્મીએલ, શબાન્યા, હોદાયા, કલીટા, પલાયા, હાનાન, મિખા, રહોબ, હશાબ્યા, ઝાકકૂર, શેરેબ્યા, શબાન્યા, હોદાયા, બાની, બનીનુ *** *** *** *** લોકોના આગેવાનોમાંના નીચેના માણસો સહી કરવામાં હતા: પારોશ, પાહાથ-મોઆલ, એલામ, ઝાત્તુ, બાની, બુન્‍ની, આઝગાદ, બેબાય, અદોનિયા, બિગ્વાય, આદીન, આટેર, હિઝકિયા, અઝઝૂર, હોદિયા, હાશુમ, બેસાય, હારિફ, અનાથોથ, નેબાય, માગ્પીઆશ, મશુલ્લામ, હેઝીર, મશેઝાબએલ, સાદોક, યાદૂઆ, પલાટયા, હાનાન, અનાયા, હોશિયા, હનાન્યા, હાશ્શૂબ, હાલ્લોહેશ, પિલ્હા, શોબેક, રહૂમ, હશાબ્ના, માસેયા, અહિયા, હાનાન, આનાન, માલ્લૂખ, હારીમ તથા બાઅના. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** અમે ઇઝરાયલના લોકો, યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંરક્ષકો, મંદિરના સંગીતકારો, મંદિરના સેવકો અને ઈશ્વરના નિયમને આધીન થઈને જેમણે અમારા દેશમાં વસતી પરપ્રજાઓથી અલગ કર્યા છે એવા અમે સૌ, અમારી પત્નીઓ અને અમારાં સમજણાં એવાં બધાં સંતાનો સહિત, આથી અમે અમારા આગેવાનોની સાથે સાથે શપથ લઈએ છીએ. જો અમે એ તોડીએ તો અમારા પર શાપની શિક્ષા આવો. શપથ એ છે કે પોતાના સેવક મોશે દ્વારા ઈશ્વરે આપેલા તેમના નિયમ પ્રમાણે અમે જીવીશું, અને અમારા પ્રભુ યાહવે અમને જે જે આજ્ઞા આપે તે બધી અમે પાળીશું, અને તેમના સર્વ નિયમોનું પાલન કરીશું અને તેમની સર્વ માગણીઓ પૂરી કરીશું. અમારા દેશમાં વસતી પરપ્રજાઓ સાથે અમે આંતરલગ્નથી જોડાઈશું નહિ. પરપ્રજાઓ સાબ્બાથને દિવસે અથવા બીજા પવિત્ર દિવસોએ અનાજ કે બીજું કંઈપણ અમને વેચાતું આપવા આવે, તો અમે તેમની પાસેથી ખરીદીશું નહિ. પ્રત્યેક સાતમે વર્ષે અમે જમીનમાં ખેતી કરીશું નહિ, અને અમારા દેણદારોનું બધું દેવું માફ કરી દઈશું. પ્રતિ વર્ષ અમારામાંનો પ્રત્યેક જણ ઈશ્વરના મંદિરની સેવાના ખર્ચ પેટે ચાર ગ્રામ ચાંદી આપશે. મંદિરની સેવાભક્તિ માટે અમે નીચેની વસ્તુઓ પૂરી પાડીશું: પવિત્ર રોટલી, નિત્યનું ધાન્ય-અર્પણ, પ્રતિદિન દહન કરવા માટેનાં બલિદાન, સાબ્બાથોનાં, ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં તથા અન્ય પર્વોનાં પવિત્ર અર્પણો, અન્ય પવિત્ર અર્પણો, ઇઝરાયલનાં પાપના નિવારણ માટેનાં અર્પણો અને મંદિર માટે જરૂરી એવી અન્ય બધી સાધન સામગ્રી. નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે, પ્રભુ અમારા ઈશ્વરને અર્પવામાં આવતાં બલિદાનોના વેદી પરના દહન માટે કયું ગોત્ર લાકડાં પૂરાં પાડશે તે અમે, એટલે લોકો, યજ્ઞકારો અને લેવીઓ પ્રતિ વરસે ચિઠ્ઠી નાખીને નક્કી કરીશું. અમારી ભૂમિની પ્રથમ ઊપજનું અને અમારાં વૃક્ષો પર પ્રથમ પાકેલાં ફળોનું અર્પણ અમે પ્રતિ વર્ષે મંદિરમાં લાવીશું. નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે અમે પ્રત્યેક અમારા પોતાના પ્રથમ જન્મેલા પુત્રને યજ્ઞકારો પાસે મંદિરમાં લઈ જઈને તેનું ઈશ્વરને સમર્પણ કરીશું. અમે પ્રત્યેક અમારી ગાયોને જન્મેલા પ્રથમ વાછરડાનું અને અમારાં ઘેટાં અને બકરાંને જન્મેલાં પ્રથમ હલવાન કે બચ્ચાનું પણ સમર્પણ કરીશું. પ્રતિ વર્ષે પ્રથમ લણેલા અનાજના લોટનો પિંડ તથા દ્રાક્ષાસવ, ઓલિવ તેલ તથા સર્વ પ્રકારનાં ફળોનાં અન્ય સર્વ અર્પણો અમે યજ્ઞકારો પાસે ઈશ્વરના મંદિરમાં લાવીશું. ખેતી કરતા અમારાં સર્વ નગરો પાસેથી લેવીઓ દશાંશો ઉઘરાવે છે. તેથી અમારી ભૂમિની સઘળી પેદાશનાં દશાંશો અમે લેવીઓને આપીશું. દશાંશ ઉઘરાવતી વખતે લેવીઓની સાથે આરોનના વંશમાંથી ઊતરી આવેલ યજ્ઞકારોને પણ લક્ષમાં લેવાના છે અને લેવીઓ જે દશાંશ એકત્ર કરે તેનો દશમો ભાગ મંદિરના ઉપયોગ માટે તેના ભંડારોમાં લઈ જવાનો છે. ઇઝરાયલી લોકો અને લેવીઓએ અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલનો ફાળો જ્યાં મંદિરનાં પાત્રો રાખવામાં આવે છે તે ભંડારોમાં અને ફરજ પરના યજ્ઞકારો, મંદિરના સંરક્ષકો, અને મંદિરના ગાયકવૃંદના સભ્યોના ખંડોમાં લઈ જવાનો છે. અમે અમારા ઈશ્વરના ઘર પ્રત્યે દુર્લક્ષ સેવીશું નહિ. લોકોના આગેવાનો યરુશાલેમમાં વસ્યા. બાકીના લોકોએ દર દશ કુટુંબે એક કુટુંબ પવિત્રનગર યરુશાલેમમાં વસે તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી; તે સિવાયના લોકોને બીજાં શહેરો અને નગરોમાં રહેવાનું હતું. જેઓ રાજીખુશીથી યરુશાલેમમાં વસવાટ માટે તૈયાર થયા તેમની લોકોએ પ્રશંસા કરી. અન્ય શહેરો અને નગરોમાં ઇઝરાયલના લોકો, યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સેવકો અને શલોમોનના સેવકોના વંશજો પોતપોતાનાં નગરોમાં પોતાનાં વતનમાં વસ્યા. યરુશાલેમમાં વસેલા યહૂદિયા પ્રાંતના અગ્રગણ્ય નાગરિકોની યાદી નીચે મુજબ છે: યહૂદિયાના કુળના માણસોની યાદી આ પ્રમાણે છે: અથાયા, જે ઉઝિઝયાનો પુત્ર અને ઝખાર્યાનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે અમાર્યા, શફાટયા અને માહાલાલેલ હતા, જેઓ યહૂદાના પુત્ર પેરેસના વંશજો હતા. માસેયા, જે બારેખનો પુત્ર અને કોલહોઝેનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે હઝાયા, અદાયા, યોયારીબ અને ઝખાર્યા હતા, જેઓ યહૂદાના પુત્ર શેલાના વંશજો હતા. પેરેસના વંશજોમાંથી ચારસો અડસઠ પરાક્રમી પુરુષો યરુશાલેમમાં રહેતા હતા. બિન્યામીનના કુળના વંશજોની યાદી આ પ્રમાણે છે. સાલ્લુ જે મશુલ્લામનો પુત્ર અને યોએદનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે પદાયા, કોલાયા, માસેયા, ઇથિયેલ, અને યશાયા હતા; ગાબ્બાય અને સાલ્લાય, જેઓ સાલ્લુના નિકટના સંબંધીઓ હતા. બધા મળીને બિન્યામીનના કુળના 928 માણસો યરુશાલેમમાં રહેતા હતા. ઝિખ્રીનો પુત્ર યોએલ તેમનો આગેવાન હતો અને હાસ્સનૂઆનો પુત્ર યહૂદા, નગરનો બીજા દરજજાનો અધિકારી હતો. યજ્ઞકારોની યાદી આ પ્રમાણે છે: યોયારીબનો પુત્ર યદાયા, અને યાખીન. સરાયા, જે હિલકિયાનો પુત્ર અને મશૂલ્લામનો પૌત્ર હતો; તેના અન્ય પૂર્વજો અનુક્રમે સાદોક, મરાયોથ અને અહીટુબ હતા. તે પ્રમુખ યજ્ઞકાર હતો. આ ગોત્રના બધા મળીને 822 સભ્યો મંદિરમાં સેવા બજાવતા હતા. અદાયા, જે યરોહામનો પુત્ર અને પલાલ્યાનો પૌત્ર હતો; તેના પૂર્વજો અનુક્રમે આમ્ઝી, ઝખાર્યા, પાશ્હૂર અને માલકિયા હતા. આ ગોત્રના બધા મળીને 242 સભ્યો તેમના કુટુંબોના વડા હતા. અમાશશાય જે અઝારએલનો પુત્ર અને આહઝાયનો પૌત્ર હતો; તેના પૂર્વજો અનુક્રમે મશિલ્લેમોથ અને ઇમ્મેર હતા. આ ગોત્રમાંથી 128 સભ્યો શૂરવીર સૈનિકો હતા. હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેમનો આગેવાન હતો. લેવીઓની યાદી આ પ્રમાણે છે: શમાયા, જે હાશ્શુલનો પુત્ર અને આભીકામનો પૌત્ર હતો; તેના પૂર્વજો હશાબ્યા અને બુન્‍ની હતા. શાબ્બાથાય અને યોઝાબાદ, તેઓ મંદિરના બહારના કામક્જમાં આગળ પડતા હતા. માત્તાન્યા, જે મિખાનો પુત્ર અને ઝાબ્દીનો પૌત્ર હતો; તે આસાફનો વંશજ હતો. આભારસ્તુતિની પ્રાર્થનાનાં ગીતો ગાનાર મંદિરના ગાયકવૃંદનો તે આગેવાન હતો. બાકલુકયા, જે માત્તાન્યાનો મદદનીશ હતો. આબ્દા, જે શામ્મૂઆનો પુત્ર અને ગાલાલનો પૌત્ર હતો; તે યદૂથૂનનો વંશજ હતો. પવિત્ર નગર યરુશાલેમમાં બધા મળીને 284 લેવીઓ રહેતા હતા. મંદિરના સંરક્ષકોની યાદી આ પ્રમાણે છે: આકકૂબ, ટાલ્મોન અને તેમના સંબંધીઓ મળીને કુલ 172 માણસો. બાકીના ઇઝરાયલી લોકો, યજ્ઞકારો અને લેવીઓ યહૂદિયાનાં અન્ય શહેરો અને નગરોમાં પોતપોતાના વતનમાં વસ્યા. મંદિરના સેવકો ઓફેલ તરીકે ઓળખાતા યરુશાલેમ શહેરના એક ભાગમાં રહેતા હતા અને સીહા અને ગિશ્પાની દેખરેખ હેઠળ કામ કરતા હતા. બાનીનો પુત્ર અને હશાબ્યાનો પૌત્ર ઉઝઝી જે લેવીઓનો ઉપરી હતો. તે પણ યરુશાલેમમાં વસ્યો. તેના પૂર્વજો માત્તાન્યા અને મિખા હતા. ઈશ્વરના મંદિરમાં સેવાભક્તિ માટે સંગીતના કામની જવાબદારી જેને શિર હતી તે આસાફના ગોત્રનો હતો. પ્રત્યેક કુળે મંદિરના સંગીતની દરરોજની કામગીરી કેવી રીતે વારા પ્રમાણે મુકરર કરવી તે અંગે રાજાએ ઠરાવેલા નિયમો હતા. યહૂદાના કુળમાં ઝેરાના ગોત્રમાંના મશેઝાબએલનો પુત્ર પેથાહયા ઈરાનના રાજાના દરબારમાં ઈઝરાયલી લોકનો પ્રતિનિધિ હતો. ઘણા લોકો પોતાનાં ખેતરોની નજીકનાં નગરોમાં રહ્યા. જેઓ યહૂદાના કુળના હતા તેઓ કિર્યાથઆર્બા, દિબોન અને યકાબ્સએલ તથા તેમની આસપાસનાં ગામોમાં વસ્યા. તેઓ યેશૂઆ, મોલાદા, બેથ-પેલેટ અને હસાર-શૂઆલ, બેરશેબા તેમ જ તેમનાં આસપાસનાં ગામોમાં પણ વસ્યા. તેઓ સિકલાગ અને મખોના તથા તેનાં ગામડાંઓમાં વસ્યા. તેઓ એન-રિમ્મોન, સોરા તથા યાર્મૂથમાં, ઝાનોઆ, અદુલ્લામ તથા તેમનાં ગામડાંઓમાં વસ્યા. તેઓ લાખીશમાં અને તેની નજીકનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં વસ્યા. આમ, યહૂદિયાના લોકોએ દક્ષિણે બેર-શેબાથી ઉત્તરે હિન્‍નોમખીણ સુધીના પ્રદેશમાં વસવાટ કર્યો. બિન્યામીનના કુળના લોકો ગેબા, મિખ્માશ, આય, બેથેલ તથા નજીકનાં ગામોમાં; અનાથોથ, નોબ અને અનાન્યામાં, હાસોર, રામા અને ગિતાઈમમાં; હાદીદ, સબોઈમ, નબાલ્લાટમાં; લોદ, ઓનો તથા કારીગરોની ખીણમાં વસ્યા. લેવીઓનાં કેટલાંક જૂથ જે અગાઉ યહૂદિયામાં રહેતાં હતાં તેમને માટે બિન્યામીનના કુળપ્રદેશમાં રહેવાની વ્યવસ્થા થઈ. શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલ અને પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ સાથે બંદીવાસમાંથી પાછા ફરેલા યજ્ઞકારો અને લેવીઓની યાદી આ પ્રમાણે છે: યજ્ઞકારોની યાદી આ પ્રમાણે છે: સરાયા, યર્મિયા, એઝરા, અમાર્યા, માલ્લૂખ, હાટ્ટુશ, શખાન્યા, રહૂમ, મરેમોથ, ઈદ્દો, ગિન્‍નથોઈ, અબિયા, મીયામીન, માદ્યા, બિલ્ગા શમાયા, યોયારીબ, યદાયા, સાલ્લુ, આમોક, હિલકિયા. અને યદાયા. આ માણસો યહોશૂઆના સમયમાં તેમના સાથી યજ્ઞકારોમાં આગેવાન હતા. *** *** *** *** *** લેવીઓની યાદી આ પ્રમાણે છે: આ માણસો મંદિરમાં આભારસ્તુતિનાં ગીતો ગાનારા હતા: યેશુઆ, બિન્‍નૂઈ ક્દમીએલ, શેરેબ્યા, યહૂદા અને માત્તાન્યા. ગાયકવૃંદમાં વારાફરતી ગાનારા આ માણસો હતા: બાકબુકયા, ઉન્‍નો અને તેમના સાથી લેવીઓ. પ્રમુખ યજ્ઞકાર યહોશુઆના વંશજો યહોશુઆ યોયાકીમનો પિતા હતો, યોયાકીમ એલ્યાશીબનો પિતા હતો, એલ્યાશીબ યોયાદાનો પિતા હતો, યોયાદા યોનાથાનનો પિતા હતો અને યોનાથાન યાદ્દૂઆનો પિતા હતો. યોયાકીમ પ્રમુખ યજ્ઞકાર હતો ત્યારે જે યજ્ઞકારો યજ્ઞકાર ગોત્રોના વડા હતા તેમની વિગત આ પ્રમાણે છે: [યજ્ઞકાર] — [ગોત્ર] મરાયા — સરાયા હનાન્યા — યર્મિયા મશુલ્લામ — એઝરા યહોહાનાન — અમાર્યા યોનાથાન — મેલ્લુકી યોસેફ — શબાન્યા આદના — હારીમ હેલ્કા — મરીયોથ ઝખાર્યા — ઇદ્દો મશુલ્લામ — ગિન્‍નથોન ઝિખ્રી — અબિયા … — મિન્યામીન પિલ્ટાય — મોઆદ્યા શામ્મૂઆ — બિલ્ગા યહોનાથાન — રામાયા માત્તેનાય — યોયારીબ ઉઝઝી — યદાયા કાલ્લાય — સાલ્લાય એબેર — આમોક હશાબ્યા — હિલકિયા નથાનએલ — યદાયા *** *** *** *** *** *** *** *** *** એલ્યાશીબ, યોયાદા, યોનાથાન અને યાદ્દૂઆ એ પ્રમુખ યજ્ઞકારોના સમયમાં લેવીઓ અને યજ્ઞકારોના કુટુંબના વડાઓની લેખિત નોંધ રાખવામાં આવી હતી. દાર્યાવેશ ઇરાનનો સમ્રાટ હતો ત્યારે એ નોંધ પૂર્ણ કરવામાં આવી. છતાં અધિકૃત દફતરમાં તો એલ્યાશીબના પૌત્ર યોનાથાનના સમય સુધીના જ લેવીઓના કુટુંબના વડાઓની નોંધ કરવામાં આવી હતી. હશાબ્યા, શેરેબ્યા, યેશૂઆ, બિન્‍નૂઈ અને ક્દમીએલની દોરવણી હેઠળ લેવીઓનાં જૂથ પાડવામાં આવ્યાં. ઈશ્વરભક્ત રાજા દાવિદે આપેલી સૂચનાઓ પ્રમાણે બે જૂથો એક સમયે વારાફરતી ઈશ્વરની સ્તુતિ કરતાં અને તેમનો આભાર માનતાં. મંદિરના દરવાજાઓ પાસે આવેલા ભંડારોની ચોકી કરવાની જવાબદારી મંદિરના સંરક્ષકો માતાન્યા, બાકબુકયા, ઓબાદ્યા, મશુલ્લામ, ટાલ્મોન અને આક્કૂબની હતી. આ લોકો યહોસાદાકના પુત્ર યેશૂઆના પુત્ર યોયાકીમના સમયમાં, રાજ્યપાલ નહેમ્યાના સમયમાં અને યજ્ઞકાર તથા નિયમશાસ્ત્રના વિદ્વાન એઝરાના સમયમાં થઈ ગયા. યરુશાલેમના કોટને સમર્પણ કરવાના વખતે લેવીઓને સર્વ સ્થાનોમાંથી બોલાવવામાં આવ્યા, જેથી તેઓ આભારસ્તુતિનાં ગીતો અને મંજીરા તથા વીણાના સંગીત સહિત યરુશાલેમમાં સમર્પણના ઉત્સવમાં જોડાઈ શકે. ગાયકવૃંદનાં લેવી કુટુંબો યરુશાલેમની આસપાસનાં તેમના વસવાટોમાંથી, નટોફાની આસપાસનાં નગરોમાંથી, બેથગિલ્ગાલ, ગેબા અને આઝમાવેથમાંથી એકઠાં થયાં. યાજકો અને લેવીઓએ પોતાને માટે અને પછી લોકો, દરવાજા તેમ જ નગરકોટ માટે શુદ્ધિકરણનો વિધિ કર્યો. પછી મેં કોટ ઉપર યહૂદિયાના આગેવાનોને એકઠા કર્યા અને તેમને શહેરની આસપાસ કૂચ કરતાં કરતાં ઈશ્વરની સ્તુતિ કરનાર બે મોટાં જૂથોની જવાબદારી સોંપી. તેમાંનું પ્રથમ જૂથ કોટ ઉપર કચરાના દરવાજા તરફ ગયું. હોશાયા ગાયકવૃંદની પાછળ ચાલ્યો અને યહૂદિયાના અર્ધા આગેવાનો તેની પાછળ પાછળ ગયા. તેમની પાછળ રણશિંગડાં વગાડતાં વગાડતાં કૂચ કરવામાં આ યજ્ઞકારો હતા: અઝાર્યા, એઝરા, મશુલ્લામ, યહૂદા, બિન્યામીન, શમાયા, યર્મિયા. તેમના પછી ઝખાર્યા હતો. તે યોનાથાનનો પુત્ર અને શમાયાનો પૌત્ર હતો. (તેના પૂર્વજોમાં અનુક્રમે માત્તાન્યા, મિખાયા અને આકકૂર હતા. તે આસાફના ગોત્રનો હતો). *** *** તેની પાછળ પાછળ તેના ગોત્રના અન્ય સભ્યો જતા હતા: શમાયા, આઝારેલ, મિલલાય, ગિલલાય, માઆય, નથાનએલ, યહૂદા અને હનાની. ઈશ્વરભક્ત રાજા દાવિદનાં વાજિંત્રો જેવાં વાજિંત્રો તેઓ વગાડતા હતા. નિયમશાસ્ત્રમાં વિદ્વાન એઝરા આ જૂથને સરઘસમાં દોરનાર હતો. ઝરણાના દરવાજે દાવિદનગરમાં જવાનાં પગથિયાં પર તેઓ ચડયા, દાવિદનો મહેલ પસાર કર્યો અને શહેરના પૂર્વ ભાગમાં પાણીના દરવાજા પાસે પાછા કોટ પર આવ્યા. આભારસ્તુતિ કરનાર બીજું જૂથ કોટ ઉપર ડાબી તરફ ગયું, અને અર્ધા લોક લઈને હું તેમની પાછળ ચાલ્યો. અમે ભઠ્ઠીઓનો દરવાજો પસાર કરીને પહોળી દીવાલ સુધી ગયા, ત્યાંથી અમે એફ્રાઈમ દરવાજે, યશાન્યા દરવાજે, માછલી દરવાજે, હનાનેલના બુરજે, શતક બુરજે અને છેક ઘેટાંના દરવાજે પહોંચ્યા. મંદિરના દરવાજા પાસે અમે અમારી કૂચ પૂરી કરી. એમ આભારસ્તુતિ કરનારાં બન્‍ને જૂથ મંદિરના વિસ્તારમાં પહોંચ્યાં. મારી સાથેના આગેવાનો ઉપરાંત મારા જૂથમાં રણશિંગડાં વગાડનાર આટલા યજ્ઞકારો હતા: એલ્યાકીમ, માસેયા, મિન્યામીન, મિખાયા, એલ્યોએનાય, ઝખાર્યા અને હનાન્યા. તેમની પાછળ માસેયા, શમાયા, એલાઝાર ઉઝઝી, યહોહાનાન, માલકિયા, એલામ અને એઝેર હતા. યિભાહયાની આગેવાની હેઠળનું ગાયકવૃંદ મોટે સાદે ગાતું હતું. એ દિવસે ઘણાં બલિદાનો અર્પવામાં આવ્યાં. અને ઈશ્વરે લોકોને આનંદથી ભરપૂર કર્યા હોઈ તેઓ બહુ ખુશ હતા. ઉત્સવમાં સ્ત્રીઓ અને બાળકો પણ જોડાયાં હતાં. એ બધાંનો અવાજ એટલો મોટો હતો કે યરુશાલેમથી દૂર દૂર સંભળાતો હતો. તે સમયે જ્યાં દશાંશો, પ્રથમ લણેલું અનાજ, પ્રતિ વર્ષના પ્રથમ પાકનાં ફળ સહિત મંદિરનો ફાળો રાખવામાં આવતો હતો તે ભંડારો પર માણસો નીમવામાં આવ્યા. આ માણસો પાસે નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે યજ્ઞકારો અને લેવીઓ માટે જુદાં જુદાં નગરો પાસેનાં ખેતરોમાંથી ફાળો ઉઘરાવવાની જવાબદારી હતી. યહૂદિયાના સઘળા લોકો યજ્ઞકારો અને લેવીઓ પર ખુશ હતા; કારણ કે તેમણે ઈશ્વરે આપેલી આજ્ઞા પ્રમાણે શુદ્ધિકરણ અને અન્ય વિધિઓની ધર્મક્રિયા બજાવી. મંદિરના સંગીતકારો અને મંદિરના સંરક્ષકોએ પણ દાવિદ રાજા અને તેના પુત્ર શલોમોને ઠરાવેલા નિયમો મુજબ પોતાની ફરજ અદા કરી હતી. દાવિદ રાજા અને સંગીતકાર આસાફના પ્રાચીન સમયથી સંગીતકારો ઈશ્વરની આભારસ્તુતિનાં ગીતો ગવડાવતા આવ્યા છે. ઝરુબ્બાબેલ તેમજ નહેમ્યાના સમયમાં મંદિરના સંગીતકારો અને મંદિરના સંરક્ષકો માટે ઈઝરાયલના લોકો દરરોજ ભેટો લાવતા. લોકોએ લેવીઓને પવિત્ર અર્પણનું દાન કર્યું અને લેવીઓએ યજ્ઞકારોને તેમનો નિયત હિસ્સો આપ્યો. લોકો આગળ મોશેના નિયમશાસ્ત્રનું મોટેથી વાંચન કરવામાં આવતું હતું ત્યારે તેઓના વાંચવામાં આ શાસ્ત્રભાગ આવ્યો કે જ્યાં એમ કહેલું છે કે કોઈપણ આમ્મોની કે મોઆબીને ઈશ્વરના લોકોમાં કદી જોડાવા દેવો નહિ. કારણ, ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે માર્ગમાં આમ્મોન અને મોઆબના લોકોએ તેમને ખોરાકપાણી આપ્યાં નહિ. એને બદલે, તેમણે ઇઝરાયલને શાપ દેવા માટે બલામને પૈસા આપ્યા, પણ આપણા ઈશ્વરે શાપને આશિષમાં ફેરવી નાખ્યો. જ્યારે ઇઝરાયલી લોકોએ એ વાંચ્યું ત્યારે તેમણે સમાજમાંથી બધા વિદેશીઓને દૂર કર્યા. આપણા ઈશ્વરના મંદિરના ભંડારની જવાબદારીમાં એલ્યાશીબ યજ્ઞકાર હતો. તેને ટોબિયા સાથે લાંબા સમયથી નિકટનો સંબંધ થયેલો હતો. તેણે ટોબિયાને ભંડારનો એક મોટો ઓરડો વાપરવા માટે આપ્યો. એ ઓરડો તો ધાન્ય-અર્પણો, લોબાન, મંદિરનાં પાત્રો, યજ્ઞકારો માટેનાં અર્પણો, લેવીઓને આપવામાં આવેલ અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલના દશાંશો અને મંદિરના સંગીતકારો અને સંરક્ષકોને અપાયેલાં દાન રાખવા માટે હતો. એ બધું બન્યું ત્યારે હું યરુશાલેમમાં નહોતો. કારણ, આર્તાશાસ્તા રાજાના અમલના બત્રીસમા વરસે હું તેમને અહેવાલ આપવા પાછો બેબિલોન ગયો હતો. થોડા સમય પછી તેમની પરવાનગી મેળવીને, હું યરુશાલેમ પાછો આવ્યો. એલ્યાશીબે ટોબિયાને ઈશ્વરના મંદિરના ચોકમાં એક મોટો ઓરડો વાપરવા આપ્યો છે એ જોઈને હું ચોંકી ઊઠયો. તેથી મને ખૂબ ગુસ્સો ચડયો અને મેં ટોબિયાનો સરસામાન બહાર ફેંકી દીધો. મેં ઓરડાનું વિધિપૂર્વકનું શુદ્ધિકરણ કરવા અને તેમાં ઈશ્વરના મંદિરનાં પાત્રો, ધાન્ય-અર્પણો અને લોબાન મૂકવાનો હુકમ કર્યો. મારા જાણવામાં આવ્યું કે મંદિરના સંગીતકારો અને બીજા લેવીઓ યરુશાલેમ છોડીને પોતપોતાનાં ખેતરોમાં પાછા જતા રહ્યા છે; કારણ, લોકોએ તેમને તેમના નિયત હિસ્સા આપ્યા નથી. મંદિર પ્રત્યે એવું દુર્લક્ષ સેવ્યા બદલ મેં અધિકારીઓને ઠપકો આપ્યો. હું લેવીઓ અને સંગીતકારોને પાછા યરુશાલેમમાં લાવ્યો અને તેમને તેમના કામ પર ચાલુ કર્યા. પછી સર્વ લોકો અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલનાં તેમનાં દશાંશો મંદિરના ભંડારમાં લાવવા લાગ્યા. મેં મંદિરના ભંડારના ઓરડાઓની જવાબદારી આ માણસોને સોંપી: યજ્ઞકાર શેલેમ્યા, નિયમશાસ્ત્રી સાદોક, અને પદાયા લેવી. ઝાક્કૂરનો પુત્ર અને માતાન્યાનો પૌત્ર હનાન તેમનો મદદનીશ હતો. પોતાના સાથી કાર્યકરોને અપાતા પુરવઠાની વહેંચણીમાં આ માણસોની પ્રામાણિક્તા અંગે હું ભરોસો રાખી શકું તેમ હતું. હે મારા ઈશ્વર, તમારા મંદિરને માટે અને તેના સેવાકાર્ય માટે મારાં આ બધાં કાર્યો તમે સતત સ્મરણમાં રાખજો. એ વખતે મેં યહૂદિયાના લોકોને સાબ્બાથદિને દ્રાક્ષ પીલતા જોયા. બીજા કેટલાક પોતાનાં ગધેડાં પર અનાજ, દ્રાક્ષાસવ, દ્રાક્ષો, અંજીર અને બીજી વસ્તુઓ લાદીને યરુશાલેમ લઈ જતા જોયા; મેં તેમને સાબ્બાથના દિવસે કંઈ નહિ વેચવા ચેતવણી આપી. તૂર શહેરના કેટલાક લોકો યરુશાલેમમાં રહેતા હતા અને તેઓ લોકોને વેચવા માટે સાબ્બાથદિને શહેરમાં માછલી અને અન્ય સર્વ પ્રકારનો માલસામાન લાવતા. મેં યહૂદી આગેવાનોને ઠપકો આપતાં કહ્યું, “તમે આ કેવું દુષ્ટ કામ કરી રહ્યા છો? તમે સાબ્બાથને અપવિત્ર કરી રહ્યા છો! આ કારણને લીધે તો તમારા પૂર્વજોને ઈશ્વરે શિક્ષા કરીને આ શહેરનો નાશ કર્યો હતો અને છતાં સાબ્બાથ દિવસને ભ્રષ્ટ કરીને તમે ઇઝરાયલ પર ઈશ્વરનો વિશેષ કોપ લાવવા માગો છો?” તેથી સાબ્બાથની શરૂઆત થતાં એટલે કે સૂર્યાસ્ત થવા આવે ત્યાં સુધીમાં યરુશાલેમના દરવાજાઓ બંધ કરી દેવા અને સાબ્બાથ પૂરો ન થાય ત્યાં સુધી તે ન ઉઘાડવા મેં હુકમો આપ્યા. સાબ્બાથદિને શહેરમાં કંઈ લાવવામાં ન આવે તેની તકેદારી રાખવા મેં મારા માણસોને દરવાજાઓ પર ગોઠવ્યા. એકબે વાર તો સઘળા પ્રકારનો માલસામાન વેચતા વેપારીઓએ શુક્રવારે રાત્રે યરુશાલેમના કોટની બહાર મુકામ કર્યો. મેં તેમને તાકીદ કરી: સવાર સુધી ત્યાં રાહ જોઈને પડી રહેવાનો કોઈ અર્થ નથી. જો તમે ફરીથી આવું કરશો તો મારે તમારી સામે બળ વાપરવું પડશે.” તે પછી તેઓ ફરી સાબ્બાથના દિવસે આવ્યા નહિ. મેં લેવીઓને હુકમ કર્યો કે તેઓ પોતાનું શુદ્ધિકરણ કરે અને જઈને દરવાજાઓ પર ચાંપતી દેખરેખ રાખે, જેથી સાબ્બાથદિન પવિત્ર માનવામાં આવે. હે ઈશ્વર, મારા કાર્યને પણ તમે યાદ રાખજો અને તમારા મહાન પ્રેમને લીધે મને બચાવી રાખજો. એ દિવસે મને એ પણ ખબર પડી કે ઘણા યહૂદી પુરુષોએ આશ્દોદ, આમ્મોન અને મોઆબની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં. તેમનાં અર્ધા છોકરાં આશ્દોદી ભાષા બોલતા હતાં. બીજા કેટલાંક છોકરાંને અમારી ભાષા બોલતાં આવડતું નહોતું. મેં એ માણસોને ઠપકો આપ્યો, તેમને શાપ આપ્યો, તેમને માર્યા અને તેમના વાળ ફાંસી નાખ્યા. પછી મેં તેમને ઈશ્વરના નામે શપથ લેવડાવ્યા કે તેઓ કે તેમનાં સંતાનો ફરી કદી વિધર્મી પરપ્રજા સાથે આંતરલગ્ન નહિ કરે. મેં તેમને કહ્યું, “પરપ્રજાની સ્ત્રીઓએ જ શલોમોન રાજાને પાપમાં પાડયો હતો. બીજાં રાજ્યોના કોઈપણ રાજા કરતાં પણ એ તો મહાન રાજા હતો. પ્રભુ તેના પર પ્રેમ કરતા હતા અને તેને સમસ્ત ઇઝરાયલનો રાજા બનાવ્યો, અને છતાં તે આ પાપમાં પડયો. તો પછી અમારે પણ તમારો નમૂનો અનુસરીને પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરી ઈશ્વરની આજ્ઞાનો અનાદર કરવો?” યોયાદા તો એલ્યાશીબ પ્રમુખ યજ્ઞકારનો પુત્ર હતો. પણ યોયાદાના એક પુત્રે બેથહોરોનવાસી સાનબાલ્લાટની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. તેથી મેં યોયાદાને યરુશાલેમમાંથી કાઢી મૂક્યો. હે ઈશ્વર, લોકોએ યજ્ઞકારપદને તથા યજ્ઞકારો તથા લેવીઓ સાથેના તમારા કરારને ભ્રષ્ટ કર્યો છે એનું સ્મરણ રાખજો. મેં લોકોને પરપ્રજાની પ્રત્યેક બાબતથી શુદ્ધ કર્યા; પ્રત્યેક યજ્ઞકાર કે લેવીને પોતાની ફરજનો ખ્યાલ રહે એ રીતે મેં તેમને માટે નીતિનિયમો ઘડી કાઢયા. બલિદાનો માટેના લાકડાં યોગ્ય સમયે લાવી દેવાય અને લોકો પ્રથમ લણણીનું અનાજ અને પ્રથમ પાકેલાં ફળ લાવતા રહે તેવી મેં ગોઠવણી કરી. હે ઈશ્વર, આ બધું મારા લાભમાં સંભારજો. અહાશ્વેરોશ રાજા હિંદથી કૂશ સુધી એક્સો સત્તાવીસ પ્રાંતો પર રાજ કરતો હતો. તેની રાજધાની સૂસામાં હતી. *** તેના અમલના ત્રીજે વર્ષે તેણે તેના રાજદરબારીઓ અને સેવકોને ભવ્ય મિજબાની આપી. ઇરાન તથા માદાયના સર્વ લશ્કરી અમલદારો, પ્રાંતોના રાજ્યપાલો અને અગ્રણીઓ તેમાં હાજર રહ્યા હતા. તે સમયે રાજાએ તેમને છ માસ સુધી પોતાના પ્રખ્યાત સામ્રાજ્યની વિપુલ સંપત્તિ અને ભારે જાહોજલાલી બતાવ્યાં. તે પછી રાજાએ સૂસા નગરના ગરીબ-તવંગર સૌને મિજબાની આપી. રાજમહેલના બગીચાના ચોકમાં એની વ્યવસ્થા કરવામાં આવી હતી. એક સપ્તાહ સુધી એ કાર્યક્રમ ચાલ્યો. તે સ્થળે વાદળી અને સફેદ સૂતરના બારીક પડદા જાંબલી રેસાવસ્ત્રની દોરીઓ વડે આરસપહાણના સ્તંભો પર રૂપાની કડીઓ ઘાલી લટકાવવામાં આવ્યા હતા. ત્યાં શ્વેત આરસપહાણ તથા લાલ તેમજ લીલાશ પડતા વાદળી કિંમતી પથ્થરોની ફરસબંધી પર સોનારૂપાના દિવાનો મૂકેલા હતા. સોનાના પ્યાલાઓમાં પીણાં પીરસવામાં આવતાં હતાં અને પ્યાલાઓ વિવિધ પ્રકારના હતા. રાજાએ પોતાને છાજે એ રીતે છૂટથી દારૂ પીરસાવ્યો હતો. દારૂ પીવા વિષે કોઈ મર્યાદા નહોતી; કારણ, રાજાએ મહેલના નોકરોને હુકમ કર્યો હતો કે જેને જેટલો પીવો હોય તેટલો પીવડાવવો. આ જ સમયે વાશ્તી રાણીએ પણ રાજમહેલની અંદર સ્ત્રીઓને મિજબાની આપી. મિજબાનીનો સાતમો દિવસ હતો. રાજા પીને મસ્ત બન્યો હતો ત્યારે તેણે રાણીગૃહના સાત અંગરક્ષકોને બોલાવ્યા. તેમનાં નામ આ પ્રમાણે હતા: મહુમાન, બીઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને ર્ક્ક્સ. રાજાએ તેમને વાશ્તી રાણીને રાજમુગટ પહેરાવીને પોતાની સમક્ષ લાવવાનો હુકમ કર્યો. રાણી સ્વરૂપવાન હતી અને રાજા તેનું રૂપ બધા અધિકારીઓ તથા અતિથિઓને બતાવવા માગતો હતો. જ્યારે રાણીગૃહના અધિકારીઓએ વાશ્તી રાણીને રાજાના હુકમની વાત કરી ત્યારે તેણે ત્યાં જવાનો ઈનકાર કર્યો. આથી રાજા ક્રોધથી રાતોપીળો થઈ ગયો. કાયદો અને વ્યવસ્થાની બાબતમાં મુત્સદ્દીઓની સલાહ લેવાની રાજાની પ્રણાલી હતી. આથી આ વિશે શું કરવું તે જાણવા માટે રાજાએ પોતાના સલાહકારોને બોલાવ્યા. ઇરાન અને માદાયના એવા સાત અધિકારીઓ ત્યાં હતા. તેમનાં નામ આ પ્રમાણે હતા: ર્કાશના, શેથાર, આદમાથા, તાર્શિશ, મેરેસ, માર્સના તથા મમૂખાન. તેઓ રાજ્યમાં ઉચ્ચ પદવી ધરાવતા હતા અને રાજા તેમની સલાહ લેતો. તેમને રાજાએ પૂછયું, “મેં રાણીગૃહના મારા અધિકારીઓ દ્વારા વાશ્તી રાણીને મારી પાસે લાવવાનો હુકમ કર્યો પણ તેણે આવવાનો ઇનકાર કર્યો છે. આ વિષે કાયદા પ્રમાણે રાણીને શી સજા કરવી જોઈએ?” મમૂખાને રાજા અને તેમના રાજદરબારીઓને જાહેર કર્યું કે, “વાશ્તી રાણીએ ફક્ત રાજાનું જ નહિ, પણ તેમના અધિકારીઓનું અને સામ્રાજ્યના પ્રત્યેક પુરુષનું અપમાન કર્યું છે. રાણીએ જે કર્યું છે તેની જાણ સામ્રાજ્યમાં સ્ત્રીઓને થતાં જ તેઓ તેમના પતિ પ્રત્યે તોછડાઈપૂર્વક વર્તશે. તેઓ કહેશે, ‘અહાશ્વેરોશ રાજાએ વાશ્તી રાણીને પોતાની હજૂરમાં આવવાનો હુકમ કર્યો ત્યારે રાણીએ પણ ત્યાં જવાનો ઇનકાર કર્યો છે’, ઇરાન તથા માદાયના અધિકારીઓની પત્નીઓ જેમણે રાણીના આ વર્તન વિષે જાણ્યું છે તેઓ તેમના પતિને આજે જ વાત કરવાની અને પરિણામે પતિ-પત્ની વચ્ચે સંઘર્ષ અને કલેશનો પાર રહેશે નહિ. તેથી હે રાજા, આપને યોગ્ય લાગે તો એક રાજવી વટહુકમ બહાર પાડો કે વાશ્તી રાણી રાજાની સમક્ષ કદી હાજર થાય નહિ. તેની નોંધ ઇરાન અને માદાયના કાયદાઓમાં કરો જેથી તે કદી બદલી શકાય નહિ. વળી, તેનું રાણીપદ બીજી કોઈ યોગ્ય સ્ત્રીને આપો. તમારા વટહુકમની જાણ સમગ્ર સામ્રાજ્યમાં થશે કે ગરીબ કે તવંગર દરેક સ્ત્રી પોતાના પતિને માન આપશે.” રાજા અને તેમના અધિકારીઓને આ અભિપ્રાય ગમી ગયો અને રાજાએ મમૂખાનના સૂચવ્યા પ્રમાણે કર્યું. તેમણે તેમના બધા પ્રાંતો પર દરેક પ્રાંતની ભાષા મુજબ વટહુકમ મોકલી આપ્યો: “પ્રત્યેક પતિ પોતાના ઘરમાં સર્વોપરી છે અને તે કહે તેમ જ થવું જોઈએ.” અહાશ્વેરોશ રાજાનો ક્રોધ શમ્યો. તે પછી તેને રાણીએ કરેલું અપમાન તથા તેને લીધે જે હુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેની યાદ આવી. રાજાના નિકટના સલાહકારોએ તેને સૂચવ્યું કે, “આપ શા માટે કોઈ સુંદર યુવાન કુમારિકાઓની શોધ કરતા નથી? આપ આપના સામ્રાજ્યના બધા પ્રાંતોમાં અધિકારીઓની નિમણૂક કરો. તેમનું કામ સૂસાના રાજમહેલના રાણીગૃહમાં સુંદર યુવાન કુમારિકાઓ લાવવાનું રહે. તેમણે રાણીગૃહના અંગરક્ષક હેગેને એ કુમારિકાઓ દેખરેખ માટે સોંપવી. તેમને જરૂરી સૌંદર્યપ્રસાધનો પણ પૂરાં પાડવાં. ત્યારબાદ રાજાને જે કુમારિકા પસંદ પડે તેને વાશ્તીની જગ્યાએ રાણીપદ આપવું.” સૂસાની રાજધાનીમાં મોર્દખાય નામે એક યહૂદી હતો. તે બિન્યામીનના કુળનો હતો અને કીશના પુત્ર શિમઈના પુત્ર યાઈરનો પુત્ર હતો. જ્યારે બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યખોન્યાની સાથે જે લોકોને કેદી બનાવી બેબિલોન લઈ ગયો હતો તેમાં મોર્દખાય પણ હતો. તેણે પોતાના ક્કાની પુત્રી હદાસ્સા, એટલે એસ્તેરને તેનાં માતપિતાના મૃત્યુ પછી પોતાની દીકરીની જેમ ઉછેરીને મોટી કરી હતી. એસ્તેર સુંદર અને સુડોળ હતી. રાજાનો હુકમ બહાર પડતાં જ સૂસાના રાજમહેલના રાણીગૃહમાં ઘણી કુમારિકાઓને સંરક્ષકઅધિકારી હેગે પાસે લાવવામાં આવી. તેમાં એસ્તેર પણ હતી. હેગેને એસ્તેર પસંદ પડી. તેથી તેણે તેના પર રહેમનજર રાખી. તેણે તેને સૌંદર્ય પ્રસાધનો અને ઉત્તમ ખોરાક તાત્કાલિક પૂરાં પાડયાં. રાણીગૃહમાં એસ્તેરને ઊંચું સ્થાન આપવામાં આવ્યું અને રાજમહેલમાંથી સાત યુવતીઓને તેની તહેનાતમાં રાખવામાં આવી. વળી તેને તથા તેની દાસીઓને સારામાં સારા નિવાસખંડ આપવામાં આવ્યા. મોર્દખાયની સૂચના પ્રમાણે એસ્તેરે પોતે યહૂદી છે તેની કોઈને પણ ખબર પડવા દીધી નહિ. મોર્દખાય રાણીગૃહ પાસે દરરોજ આવતો-જતો રહેતો અને એસ્તેરની ખબરઅંતર તથા તેની ભાવિ પ્રગતિની માહિતી મેળવતો. કુમારિકાઓને ઠરાવેલી રીત પ્રમાણે એક વર્ષ સુધી સૌંદર્ય પ્રસાધનોનો ઉપચાર કરીને તૈયાર કરવામાં આવતી. છ માસ બોળના અર્કથી અને છ માસ સુગંધીદ્રવ્યો તથા અન્ય પ્રસાધનો વડે તેમને તૈયાર કરવામાં આવતી. ત્યાર પછી જ દરેક કુમારિકાને અહાશ્વેરોશ રાજાની સમક્ષ જવાનો વારો આવતો. રાણીગૃહમાંથી રાજાના મહેલમાં જતી વખતે તે જે કંઈ માગે તે તેને આપવામાં આવે એવો રિવાજ હતો. સાંજે તે રાજા પાસે જતી અને સવારે બીજા રાણીગૃહમાં રાજાની રખાતોના રક્ષક અધિકારી શાઆશ્ગાઝ પાસે તે પાછી આવતી. રાજાને તે પસંદ પડી જાય તો તેને ફરી નામ દઈને બોલાવે, એ સિવાય ફરી કદી પણ તે રાજા પાસે જઈ શક્તી નહિ. મોર્દખાયે પોતાના કાકા અબિહાઈલની પુત્રી એસ્તેરને પોતાની દીકરીની જેમ ઉછેરી હતી. જેમણે એસ્તેરને જોઈ તે સૌએ તેનાં વખાણ કર્યાં. જ્યારે તેનો રાજા પાસે જવાનો વારો આવ્યો ત્યારે રાણીગૃહના અધિકારી હેગેએ તેને જે લેવાની સૂચના આપી હતી તે સિવાય તેણે બીજું કંઈ માગ્યું નહિ. અહાશ્વેરોશ રાજાના અમલના સાતમા વર્ષે, ટેબેથ એટલે દસમા માસમાં એસ્તેર રાજાની પાસે મહેલમાં ગઈ. રાજાને બધી કુમારિકાઓમાંથી એસ્તેર વધુ પસંદ પડી અને તેણે તેના પર વિશેષ મહેરબાની રાખી. રાજાએ તેને પોતાનો રાજમુગટ પહેરાવીને વાશ્તીને બદલે એસ્તેરને રાણીપદ આપ્યું. એસ્તેરના માનમાં રાજાએ પોતાના સર્વ રાજદરબારીઓ અને સેવકોને મોટી મિજબાની આપી. તેમણે સમગ્ર સામ્રાજ્યમાં આ દિવસ તહેવાર તરીકે પાળવાનું ફરમાન કાઢયું અને રાજાને છાજે તેવી ભેટસોગાદો આપી. બીજીવાર કુમારિકાઓને એકત્ર કરવામાં આવી. ત્યારે મોર્દખાયને રાજદ્વારી સ્થાન પ્રાપ્ત થયું. એસ્તેર મોર્દખાયને ઘેર ઉછરતી હતી ત્યારે તે જેમ મોર્દખાયનું માનતી તેમ અત્યારે પણ માનતી. મોર્દખાયના કહેવા પ્રમાણે એસ્તેરે પોતે યહૂદી છે એ વાતની ખબર કોઈને પડવા દીધી નહિ. મોર્દખાય રાજદ્વારી નિમણૂક ધરાવતો હતો ત્યારે બિગ્થાન તથા તેરેશ રાજાના અંગરક્ષકો હતા. તેઓ બન્‍નેને રાજા પર ગુસ્સો આવ્યો અને તેમણે રાજાને મારી નાખવાનું કાવતરું ઘડયું. મોર્દખાયને તેની ખબર પડી ગઈ અને તેણે તે વાત એસ્તેરને જણાવી દીધી. મોર્દખાય પાસેથી મળેલી બાતમી પરથી એસ્તેરે રાજાને જાણ કરી. તપાસ કરવામાં આવતાં ખબર પડી કે મળેલી માહિતી સાચી હતી. આથી બન્‍ને સંરક્ષકોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. આ વિષેની નોંધ રાજાની સમક્ષ રાજ્યના ઇતિહાસમાં લેવામાં આવી. ત્યારબાદ અહાશ્વેરોશ રાજાએ હામાનને બઢતી આપીને રાજ્યના અન્ય બધા અધિકારીઓમાં મુખ્ય સ્થાન આપ્યું. હામાન તો અગાગના વંશજ હામ્મદાથાનો પુત્ર હતો. રાજાએ પોતાના બધા અધિકારીઓને એવો હુકમ કર્યો હતો કે તેઓ હામાનને ધૂંટણિયે પડીને સલામ ભરે, બધા તે પ્રમાણે કરતા, પણ મોર્દખાયે એ પ્રમાણે સલામ ભરવાની ના પાડી. ત્યારે રાજદરબારના અધિકારીઓએ મોર્દખાય શા માટે રાજાનો હુકમ માનતો નથી તેની પૂછપરછ કરી. તેઓ દરરોજ મોર્દખાયને એ વિષે પૂછયા કરતા, પણ તેણે તેમને કંઈ જવાબ આપ્યો નહિ. છેવટે તેણે તેમને કહી દીધું કે પોતે યહૂદી હોવાથી હામાનને નમન કરતો નથી. તેથી તેમણે હામાનને એ વાતની જાણ કરી અને જોવા લાગ્યા કે હામાન મોર્દખાયની એવી વર્તણૂક સહન કરી લે છે કે કેમ. જ્યારે હામાનને ખબર પડી કે મોર્દખાય તેને નમન કરીને માન આપતો નથી ત્યારે તે ખૂબ જ ક્રોધે ભરાયો. મોર્દખાય યહૂદી છે એવી તેને જાણ થઈ ગઈ હોવાથી માત્ર તેને એકલાને જ મારી નાખીને સંતુષ્ટ થવાને બદલે હામાને તમામ યહૂદીઓને ખતમ કરી નાખવાનું વિચાર્યું. તેણે સામ્રાજ્યમાંથી આખી યહૂદી પ્રજાની ક્તલ ચલાવવાનું કાવતરું ઘડી કાઢયું. અહાશ્વેરોશ રાજાના અમલના બારમા વર્ષે પ્રથમ એટલે નિસાન માસમાં હામાને એની યોજના માટેનો મહિનો અને દિવસ નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ (એટલે પૂરીમ) નાખવાનો આદેશ કર્યો. ચિઠ્ઠીઓ નાખતાં બારમા એટલે અદાર માસનો તેરમો દિવસ નક્કી થયો. હામાને રાજાને કહ્યું, “આપના રાજ્યના બધા પ્રાંતોમાં બીજી પ્રજાઓમાં વિખેરાઈ ગયેલી એક પ્રજા વસે છે. બીજા લોકો કરતાં એમના રીતરિવાજ જુદા છે. તેઓ તમારા સામ્રાજ્યના કાયદા પ્રમાણે વર્તતા નથી. તેમને એમ નિરાંતે રહેવા દેવા એ આપના હિતમાં નથી. તેથી જો આપને યોગ્ય લાગે તો તેમનો નાશ કરવાનો એક વટહુકમ બહાર પાડવો જોઈએ. જો આપ એમ કરશો તો સામ્રાજ્યના વહીવટ માટે હું રાજભંડારમાં દસ હજાર તાલંત ચાંદી આપીશ.” તેથી રાજાએ પોતાની વીંટી કાઢીને યહૂદીઓના દુશ્મન અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાનને આપી. રાજાએ તેને કહ્યું, “એ પૈસા અને પ્રજા પણ તારા હાથમાં છે. તારે તેમને જે કરવું હોય તે કર.” તેથી પ્રથમ મહિનાની તેરમી તારીખે હામાને રાજાના સચિવોને બોલાવ્યા. હામાને વટહુકમ લખાવ્યો અને તેનો તરજુમો કરાવી દરેક પ્રાંત અને દરેક પ્રજાની ભાષા અને લિપિમાં બધા અમલદારો, રાજ્યપાલો અને અધિકારીઓ પર એ વટહુકમ મોકલી આપવાની તેમને આજ્ઞા કરી. એ હુકમ અહાશ્વેરોશ રાજાને નામે અને તેમની વીંટીથી મુદ્રા મારીને સામ્રાજ્યના બધા પ્રાંતોમાં શીઘ્ર સંદેશકો દ્વારા મોકલવામાં આવ્યો. તેનું લખાણ આ પ્રમાણે હતું: બારમા એટલે અદાર માસના તેરમા દિવસે, એક જ દિવસમાં આબાલવૃદ્ધ બધાં જ યહૂદી સ્ત્રીપુરુષોની નિર્દયપણે કત્લેઆમ ચલાવવી અને તેમની માલમિલક્ત લૂંટી લેવી. આ હુકમની દરેક પ્રાંતમાં લોકોને જાહેર રીતે જાણ કરવી જેથી બધાં તે દિવસને માટે તૈયાર રહે.” રાજાની આજ્ઞા પ્રમાણે શીઘ્ર સંદેશકો તાકીદે રવાના થયા. રાજધાની સૂસામાં પણ એ હુકમની જાહેરાત કરવામાં આવી. રાજા અને હામાન મદિરાપાન કરવા બેઠા, પણ સૂસા નગરમાં તો લોકોમાં ગભરાટ મચી ગયો. જે બધું કરવામાં આવ્યું તે જાણીને મોર્દખાયે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં અને તાટ પહેરીને માથા પર રાખ ચોળી. પછી તે નગરમાં મોટે ઘાંટે વિલાપ કરતાં ફર્યો, અને છેક રાજમહેલના દરવાજા પાસે આવી પહોંચ્યો. તે અંદર ગયો નહિ, કારણ, તાટનાં વસ્ત્ર પહેરીને રાજમહેલની અંદર જવાની મનાઈ હતી. સામ્રાજ્યના બધા પ્રાંતોમાં રાજાના હુકમની જાહેરાત થઈ કે યહૂદીઓએ મોટો શોક કર્યો. તેમણે ઉપવાસ, રુદન અને ભારે વિલાપ કર્યાં. ઘણાએ તાટ પહેર્યું અને રાખમાં આળોટયા. એસ્તેરની દાસીઓ અને રાણીગૃહના સંરક્ષકોએ તેને મોર્દખાયની વાત કરી ત્યારે તેને ઊંડું દુ:ખ થયું. મોર્દખાય પોતાના શરીર પરથી તાટ ઉતારીને વસ્ત્રો બદલી નાખે તે માટે એસ્તેરે બીજાં વસ્ત્રો મોકલાવ્યાં.પણ મોર્દખાયે વસ્ત્રો બદલવાની ના પાડી. રાજાએ એસ્તેરની તહેનાતમાં નીમેલા રાણીગૃહના સંરક્ષકોમાં એક હથાક નામનો સંરક્ષક હતો. એસ્તેરે તેને બોલાવ્યો અને મોર્દખાય એવું શા માટે કરે છે તેનું કારણ જાણી લાવવા તેને મોર્દખાય પાસે મોકલ્યો. હથાક રાજમહેલના પ્રવેશદ્વારની સામેના નગરચોકમાં મોર્દખાય પાસે ગયો. મોર્દખાયે પોતા પર જે આવી પડવાનું હતું તે તથા તમામ યહૂદીઓનો નાશ કરવામાં આવે તો હામાન રાજભંડારમાં જે પૈસા આપવાનો હતો તે પણ જણાવ્યું. યહૂદીઓનો નાશ કરવા માટે સૂસામાં બહાર પાડવામાં આવેલ હુકમની નકલ પણ તેણે હથાકને આપી; જેથી તે એસ્તેરને બતાવીને તેની જાણ કરે, જેથી એસ્તેર રાજાની પાસે જઈને પોતાના લોક માટે આગ્રહપૂર્વક દયાની યાચના કરે. હથાકે તેમ કર્યું. તેથી એસ્તેરે મોર્દખાયની પાસે આવો સંદેશો મોકલી આપ્યો: “જો કોઈ પુરુષ કે સ્ત્રી રાજાના બોલાવ્યા વગર અંદરના ચોકમાં પ્રવેશ કરે તો તેનો ઘાત કરવો એવો કાયદો છે. રાજાના સલાહકારોથી માંડીને સામ્રાજ્યના સર્વ લોકોને તેની ખબર છે. એ કાયદાની વિરુદ્ધ થઈને જઈ શકાય નહિ. માત્ર રાજા પોતાનો સોનાનો રાજદંડ જનાર વ્યક્તિ સામે ઊંચો કરે તો જ તે માર્યો જાય નહિ. વળી, આ એક મહિનાથી તો રાજાએ મને બોલાવી નથી.” મોર્દખાયે એસ્તેરનો સંદેશો સાંભળ્યો, ત્યારે તેણે એસ્તેરને આ ચેતવણી મોકલાવી: “તું રાજમહેલમાં છે તેથી બીજા યહૂદીઓ કરતાં વધુ સલામત છે એવું માનીશ નહિ. જો આ પ્રસંગે તું મૌન રાખી બિલકુલ બેસી જ રહીશ તો યહૂદીઓ માટે તો મદદ અને બચાવ બીજી જગ્યાએથી આવશે, પણ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થઈ જશે. કોણ જાણે આવે પ્રસંગે મદદરૂપ થવા માટે જ તને રાણીપદ મળ્યું નહિ હોય!” એસ્તેરે મોર્દખાય પર આવો પ્રત્યુત્તર પાઠવ્યો: “જાઓ, સૂસાના બધા યહૂદીઓને એકત્ર કરો અને આજથી તમે બધા મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત કે દિવસ કંઈ ખાશો કે પીશો નહિ. હું તથા મારી તહેનાતમાં રહેતી યુવતીઓ પણ તેમ જ કરીશું. તે પછી કાયદાથી વિરુદ્ધ હોવા છતાં હું રાજાને મળવા જઈશ. એમ કરવા જતાં મારું મૃત્યુ થાય તો તે પણ હું સ્વીકારી લઈશ.” મોર્દખાયે ત્યાંથી જઈને એસ્તેરના કહ્યા પ્રમાણે કર્યું. ઉપવાસના ત્રીજા દિવસે એસ્તેર રાણીનો પોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજ્યાસનના ખંડ સામે ઊભી રહી. રાજા પ્રવેશદ્વાર તરફ મોં રાખી રાજ્યાસન પર બિરાજ્યો હતો. રાજાએ એસ્તેરને જોઈ અને તેના પર કૃપાદષ્ટિ કરી તેની સામે પોતાનો સોનાનો રાજદંડ ધર્યો. એસ્તેર નજીક જઈને રાજદંડની ટોચને સ્પર્શી. રાજાએ પૂછયું, “એસ્તેર, તું શા કામે આવી છે? તારે શું જોઈએ છે? જો તું મારું ર્આું સામ્રાજ્ય માગે તો તે પણ હું તને આપી દઈશ.” એસ્તેરે જવાબ આપ્યો, “આજ રાત્રે હું મિજબાની આપવા માગું છું. આપને યોગ્ય લાગે તો આપ હામાન સાથે તેમાં પધારો એવી મારી વિનંતી છે.” રાજાએ હામાનને તાત્કાલિક બોલાવ્યો કે તેઓ એસ્તેરને ત્યાં જઈ શકે. એમ રાજા અને હામાન એસ્તેરને ત્યાં ગયા. મદિરાપાન થઈ ગયા પછી રાજાએ એસ્તેરને પૂછયું, “તારે શું જોઈએ છે? જો તું મારું ર્આું સામ્રાજ્ય માગે તો તે પણ તને આપીશ.” એસ્તેરે જવાબ આપ્યો, “આપને યોગ્ય લાગતું હોય અને મારી માગણી પૂરી કરવાની આપની ઇચ્છા હોય તો આપ અને હામાન આવતી કાલે ફરીથી મિજબાની માટે પધારો એવી મારી વિનંતી છે. તે વખતે હું આપને મારી માગણી જણાવીશ.” તે દિવસે મિજબાનીમાંથી પાછા ફર્યા બાદ હામાન ખૂબ ખુશમિજાજમાં હતો. પણ જ્યારે તેણે રાજમહેલના દરવાજે મોર્દખાયને જોયો ત્યારે તેને ખૂબ ગુસ્સો ચઢયો. કારણ, તેણે તેને માન આપ્યું નહિ કે તેને નમન કર્યું નહિ. છતાં તે ગમ ખાઈ ગયો અને પોતાને ઘેર ગયો. તેણે પોતાના મિત્રો અને પત્ની ઝેરેશને બોલાવ્યાં. તેણે પોતાની અઢળક સંપત્તિ, પોતાનાં સંતાન, રાજાએ તેને બઢતી આપીને રાજાના બીજા દરબારીઓ અને અધિકારીઓ કરતાં તેને આપેલું ઊંચું સ્થાન વિગેરે વિષે બડાઈ હાંકી. વળી હામાને કહ્યું, “અરે, એ તો ઠીક, પણ એસ્તેર રાણીએ રાજાની સાથે માત્ર મને એકલાને જ મિજબાનીમાં બોલાવ્યો હતો અને આવતી કાલે પણ ફરી ત્યાં ભોજનનું આમંત્રણ છે. પણ જ્યાં સુધી હું પેલા યહૂદી મોર્દખાયને રાજમહેલના દરવાજે જોઉં છું ત્યાં સુધી આ બધું કશા કામનું નથી.” આથી તેની પત્ની અને તેના મિત્રોએ તેને કહ્યું, “પચીસ મીટર ઊંચી એવી એક ફાંસી તૈયાર કરાવો. સવારે રાજાને કહો કે મોર્દખાયને તે પર ફાંસીએ લટકાવી દે. પછી તમે અને રાજા ભોજનને માટે જજો.” હામાનને એ વાત પસંદ પડી, તેણે ફાંસી તૈયાર કરાવી દીધી. તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ. તેણે રાજઇતિહાસનું અધિકૃત પુસ્તક મંગાવ્યું. રાજા આગળ તેમાંથી વાંચન કરવામાં આવ્યું. રાજમહેલના બે અંગરક્ષકો બિગ્થા અને તેરેશે અહાશ્વેરોશ રાજાને ખતમ કરી નાખવાનો પ્રપંચ કર્યો હતો પણ મોર્દખાયે તેની બાતમી આપી દેતાં રાજાનો જીવ બચી ગયો હતો એ વિષે તેમણે વાંચ્યું. રાજાએ પૂછયું, “આ માટે મોર્દખાયને કંઈ સન્માન કે બક્ષિસ આપવામાં આવ્યાં છે?” રાજાના સેવકોએ જવાબ આપ્યો, “તેને માટે કંઈ જ કરવામાં આવ્યું નથી.” રાજાએ પૂછયું, “મહેલના પ્રાંગણમાં કોઈ અધિકારી હાજર છે?” તે વખતે જ હામાન રાજમહેલના પ્રાંગણમાં આવ્યો. તે રાજાને મોર્દખાયને ફાંસી આપી દેવાનું કહેવા આવ્યો હતો. આથી સેવકોએ જવાબ આપ્યો, “હામાન, આપને મળવા માગે છે.” રાજાએ કહ્યું, “તેને અંદર આવવા દો.” હામાન અંદર આવ્યો એટલે રાજાએ તેને પૂછયું, “મારે કોઈનું બહુમાન કરવું હોય તો કેવી રીતે કરવું જોઈએ?” હામાને મનમાં વિચાર્યું, “રાજા મારા સિવાય બીજા કોનું બહુમાન કરવા માગતા હોય?” તેથી તેણે રાજાને કહ્યું, “એવી વ્યક્તિ માટે તો રાજાનો રાજવી પોશાક, તેમની સવારી માટે વપરાતો ઘોડો તથા રાજમુગટ લાવવાં જોઈએ. *** પછી જેનું બહુમાન કરવાની રાજાની ઇચ્છા હોય તેને રાજાનો સૌથી મુખ્ય અમલદાર તે પહેરાવે અને ઘોડા પર બેસાડીને સમગ્ર નગરચોકમાં ફેરવે. વળી, તે તેની આગળ પોકાર પાડે કે, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે તેનું આવી રીતે સન્માન કરવામાં આવે છે.” ત્યારબાદ રાજાએ હામાનને કહ્યું, “જા, ઝટપટ રાજપોશાક તથા ઘોડો લઈ આવ અને રાજમહેલના દરવાજે બેઠેલા પેલા યહૂદી મોર્દખાયનું સન્માન કર. તું બોલ્યો છું એમાંનું કંઈ બાકી રહેવું જોઈએ નહિ.” હામાને રાજપોશાક અને ઘોડો મંગાવ્યા. મોર્દખાયને રાજપોશાક પહેરાવ્યો, ઘોડા પર બેસાડયો અને નગરચોકમાં સર્વત્ર ફરી પોકાર પાડયો કે, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે તેનું આવી રીતે સન્માન કરવામાં આવે છે.” મોર્દખાય રાજમહેલના દરવાજે પાછો આવ્યો, પણ હામાન હતાશામાં મુખ ઢાંકીને ઘેર જતો રહ્યો. તેણે તેની પત્ની ઝેરેશને તથા મિત્રોને પોતાની હાલત જણાવી. ત્યારબાદ તેની પત્ની અને મિત્રોએ કહ્યું, “મોર્દખાય આગળ તારું પતન થશે, કારણ કે તે યહૂદી છે. તું તેની પ્રગતિ રોકી શકવાનો નથી. પણ તે તો તારું પતન જોવા જીવશે.” તેઓ વાત કરતાં હતાં એવામાં જ રાજાના રાણીગૃહના અધિકારીઓ આવ્યા અને એસ્તેરે યોજેલા ભોજનસમારંભમાં હામાનને ઉતાવળે લઈ ગયા. રાજા અને હામાન એસ્તેરને ત્યાં બીજીવાર ભોજન લેવા ગયા. મદિરાપાન કરતાં કરતાં રાજાએ ફરીવાર એસ્તેરને પૂછયું, “હે એસ્તેર રાણી, તારે શું જોઈએ છે? જો તું મારું ર્આું સામ્રાજ્ય માગે, તો તે પણ હું આપીશ.” એસ્તેર રાણીએ જવાબ આપ્યો, “હે રાજા, આપ મારા પર પ્રસન્‍ન હો અને આપની મરજી હોય તો મારી આટલી વિનંતી માન્ય રાખો: મને અને મારા લોકને જીવતદાન આપો. મને અને મારા લોકને નાશ માટે, ક્તલ થવા માટે અને સંપૂર્ણ સંહાર માટે વેચી દેવામાં આવ્યાં છે. અમે માત્ર ગુલામ કે ગુલામડીઓ થવાં જ વેચાયાં હોત તો તો હું શાંત બેસી રહેત. કારણ, એમાં તો અમારી દશા કંઈ એટલી બૂરી ન થાત કે આપને તસ્દી આપવી પડે.” અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને પૂછયું, “એવું કરવાની હિંમત કરનાર કોણ છે? તે ક્યાં છે?” એસ્તેરે જવાબ આપ્યો, “એ તો અમારો વિરોધી, અમારો શત્રુ, આ દુષ્ટ હામાન છે.” એ સાંભળીને હામાન રાજારાણીથી ખૂબ ગભરાઈ ગયો. રાજા ગુસ્સામાં ને ગુસ્સામાં મદિરાપાન મૂકી દઈને મહેલના બગીચામાં ચાલ્યો ગયો. હામાન સમજી ગયો કે રાજાએ તેને ખતમ કરી નાખવાનો નિર્ધાર કરી નાખ્યો છે. તેથી તે એસ્તેર પાસે પોતાનો જીવ બચાવવાની વિનંતી કરવા રોક્યો. રાજા બગીચામાંથી મદિરાપાનના ખંડમાં આવ્યો તો હામાન એસ્તેરના પલંગ પર દયાની માગણી કરતો ઊંધો પડયો હતો. તે જોઈને રાજા પોકારી ઊઠયો, “શું તે મારા રાજમહેલમાં મારા દેખતાં જ રાણી પર બળાત્કાર કરવા માગે છે?” એ સાંભળતાં જ રાજાના રાણીગૃહના સંરક્ષકો દોડી આવ્યા. તેમણે હામાનનું મુખ ઢાંકી દીધું. તેમનામાંના એકે એટલે હાર્બોનાએ કહ્યું, “રાજાનો જીવ બચાવનાર મોર્દખાય માટે હામાને પોતાને ઘેર પચીસ મીટર ઊંચી એવી ફાંસી બનાવી છે.” રાજાએ આજ્ઞા આપી, “તેના પર હામાનને જ લટકાવી દો.” આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો. તે જ દિવસે અહાશ્વેરોશ રાજાએ યહૂદીઓના દુશ્મન હામાનની માલમિલક્ત એસ્તેરને સોંપી. એસ્તેરે રાજાને જણાવ્યું કે મોર્દખાય તેના સગામાં છે. આથી મોર્દખાયને રાજાની રૂબરૂમાં લાવવામાં આવ્યો. રાજાએ પોતાના અધિકારની મુદ્રિકા જે તેણે હામાન પાસેથી પાછી લઈ લીધી હતી તે મોર્દખાયને આપી. એસ્તેરે મોર્દખાયને હામાનની માલમિલક્તનો વહીવટ સોંપ્યો. એસ્તેરે ફરીથી રાજા આગળ વાત કરી. તેણે રાજાને પગે પડીને આંસુ સારતાં સારતાં અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓ વિરુદ્ધ કરેલી યોજના રદ કરવા રાજાને વિનવણી કરી. રાજાએ એસ્તેર સામે પોતાનો સોનાનો રાજદંડ ધર્યો. તેથી એસ્તેરે ઊભા થઈને કહ્યું, “હે રાજા, આપની ઇચ્છા હોય, આપ મારા પર પ્રસન્‍ન હો, અને આપને એ વાત યોગ્ય લાગતી હોય તો અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાને આપના સામ્રાજ્યના બધા યહૂદીઓની ક્તલ કરવા માટે જે હુકમ બહાર પાડયો હતો તે પાછો ખેંચી લો. મારાં સગાં તથા મારા લોક પર આવી પડનાર આપત્તિ મારાથી સહી શક્તી નથી.” અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણી તથા યહૂદી મોર્દખાયને જવાબ આપ્યો, “યહૂદીઓ વિરુદ્ધના પ્રપંચ માટે મેં હામાનને ફાંસીએ લટકાવી દીધો છે. એસ્તેરને મેં તેની માલમિલક્ત સોંપી દીધી છે. પણ રાજાના નામે અને તેમની મુદ્રિકાથી મહોર મારી બહાર પાડેલો હુકમ કદી બદલી શક્તો નથી. છતાં મારા નામે અને મારી મહોર મારી તમને યોગ્ય લાગે તેવી સૂચનાઓ યહૂદીઓને મોકલી આપો.” સિવાન એટલે ત્રીજા માસની ત્રેવીસમી તારીખે આ બન્યું. મોર્દખાયે રાજાના સચિવોને બોલાવ્યા અને યહૂદીઓ પર તથા હિંદથી કૂશ સુધી સામ્રાજ્યના એક્સો સત્તાવીશ પ્રાંતોના રાજ્યપાલો, વહીવટદારો અને અધિકારીઓ પર પત્ર લખાવ્યા. આ પત્રો પ્રત્યેક પ્રાંત અને પ્રત્યેક પ્રજાની ભાષા અને લિપિમાં તથા યહૂદીઓની ભાષા અને લિપિમાં લખીને મોકલવામાં આવ્યા. મોર્દખાયે એ પત્રો અહાશ્વેરોશ રાજાને નામે લખ્યા તથા તેની મુદ્રિકાથી તે પર મહોર લગાવી. પછી એ પત્રો રાજકામમાં વપરાતા અને રાજાની અશ્વશાળાના જલદ ઘોડાઓ પર સવાર થયેલા સંદેશકો દ્વારા તાકીદે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. રાજાએ યહૂદીઓને તેમનાં વસવાટનાં સર્વ નગરોમાં સ્વરક્ષણ માટે સંગઠિત થવા પરવાનગી આપી છે એવું આ પત્રોમાં લખ્યું હતું. જો કોઈ પ્રાંત કે પ્રજા યહૂદીઓ પર હુમલો કરે તો તેઓ તેમનો સામનો કરે અને તેમનાં પત્ની તથા બાળકો સહિત સઘળાંને મારી નાખે, તેમને નષ્ટ કરે અને તેમની માલમિલક્ત લૂંટી લે એવું જણાવાયું હતું. ઇરાનના સમસ્ત સામ્રાજ્યમાં અદાર એટલે બારમા માસની તેરમી તારીખ માટે એ છૂટ આપવામાં આવી હતી. આ હુકમની કાયદા તરીકે સર્વ પ્રાંતોમાં બધી પ્રજાઓમાં જાણ કરવાની હતી, જેથી તે દિવસ આવે ત્યારે યહૂદીઓ સ્વરક્ષણ માટે તેમના શત્રુઓનો સામનો કરવાને તૈયાર રહે. રાજાની આજ્ઞાથી રાજાના સંદેશકો રાજવી ઘોડાઓ પર સવાર થઈ તાબડતોબ નીકળી પડયા. આ હુકમની જાહેરાત પાટનગર સૂસામાં પણ કરવામાં આવી. મોર્દખાય વાદળી તથા સફેદ રંગનો રાજપોશાક, અળસીરેસાનો જાંબુડી રંગનો ઝભ્ભો અને સોનાનો ભવ્ય મુગટ પહેરીને રાજમહેલમાંથી નીકળ્યો. સૂસા નગર હર્ષોલ્લાસથી ધમધમી ઊઠયું. યહૂદીઓને માટે ચેન અને રાહત તથા હર્ષ અને વિજય પ્રાપ્ત થયાં. પ્રત્યેક પ્રાંત અને પ્રત્યેક શહેર જ્યાં જ્યાં રાજાના હુકમની જાહેરાત થઈ ત્યાં ત્યાં યહૂદીઓ આનંદવિભોર થઈ ગયા. તેઓ ખાનપાનમાં ઉત્સવ મનાવવા લાગ્યા. વાસ્તવમાં, કેટલાક લોકો તો બીકના માર્યા યહૂદી થઈ ગયા. અદાર માસની તેરમી તારીખ આવી. આ દિવસે રાજવી હુકમનો અમલ થવાનો હતો અને યહૂદીઓના દુશ્મનો તેમને કચડી નાખવાની આશા રાખતા હતા. પણ એથી ઊલટું, યહૂદીઓએ તેમના પર વિજય મેળવ્યો. તે દિવસે અહાશ્વેરોશના રાજ્યના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતાનાં વસવાટનાં નગરોમાં તેમને નુક્સાન કરવાનો પ્રયાસ કરનાર પર હુમલો કરવા સંગઠિત થયા. દરેક સ્થળે લોકો તેમનાથી ડરી ગયા અને કોઈ લોકો તેમની સામે ટકી શક્યા નહિ. હકીક્તમાં, રાજ્યપાલો, વહીવટદારો અને રાજપ્રતિનિધિઓ જેવા સામ્રાજ્યના બધા પ્રાંતિક અધિકારીઓએ યહૂદીઓને મદદ કરી. કારણ, તેઓ મોર્દખાયથી બીતા હતા. મોર્દખાય રાજમહેલમાં ઘણી સત્તા ધરાવતો હતો અને તેની સત્તા વધતી ગઈ. વળી, એ વાત બધા પ્રાંતોમાં ફેલાઈ ગઈ હતી. યહૂદીઓ તેમના દુશ્મનો સાથે ફાવે તેમ વર્ત્યા અને તેમણે હુમલો કરીને તરવારની ધારે તેમનો સંહાર કર્યો. પાટનગર સૂસામાં જ યહૂદીઓએ પાંચસો માણસોને મારી નાખ્યા. તેમણે તેમના દુશ્મન એટલે હામ્મદાથાના પુત્ર હામાનના દસે દસ પુત્રોને મારી નાખ્યા. તેમનાં નામ આ પ્રમાણે છે: પાર્શાન્દાથા, દાલ્ફોન, આસ્પાથા, પોરાથા, અદાલ્યા, અરીદાથા, પાર્મારતા, અરીસાય, અરીદાય અને વાઇઝાથા. તોપણ તેમણે લૂંટ ચલાવી નહિ. *** *** *** *** તે જ દિવસે સૂસા નગરમાં મારી નાખેલા માણસોની સંખ્યા રાજાને જણાવવામાં આવી. ત્યારે રાજાએ એસ્તેરને કહ્યું, “ફક્ત સૂસા નગરમાં જ યહૂદીઓએ પાંચસો માણસો મારી નાખ્યા છે. એમાં હામાનના દસેદસ પુત્રોને પણ મારી નાખવામાં આવ્યા છે. તો પછી તેમણે બીજા પ્રાંતોમાં શું નહિ કર્યું હોય? હજુ પણ તારી બીજી કોઈ ઇચ્છા હોય તો તે પૂર્ણ કરવામાં આવશે. તું માગીશ તે હું આપીશ.” એસ્તેરે જવાબ આપ્યો, “હે રાજા, આજે યહૂદીઓએ સૂસામાં તેમના દુશ્મનોના જે હાલહવાલ કર્યા છે તેવું જ તેમને કાલે પણ કરવા દો. વળી, હામાનના દસેદસ પુત્રોનાં શબ ફાંસીએ લટકાવો.” રાજાએ તે પ્રમાણે કરવા આદેશ આપ્યો, અને સૂસામાં તેની જાહેરાત કરવામાં આવી. હામાનના દસેય પુત્રોનાં શબ જાહેરમાં ફાંસીએ લટકાવવામાં આવ્યાં. અદાર માસની ચૌદમી તારીખે સૂસા નગરના યહૂદીઓએ બીજા ત્રણસો માણસોને મારી નાખ્યા, પણ તેમણે લૂંટ ચલાવી નહિ. પ્રાંતોમાં વસતા યહૂદીઓ પણ સ્વરક્ષણ માટે સંગઠિત થઈ ગયા હતા. તેમણે તેમના પંચોતેર હજાર દ્વેષીઓની ક્તલ કરી, પણ લૂંટ ચલાવી નહિ. એ અદાર માસની તેરમી તારીખે બનવા પામ્યું. ચૌદમી તારીખે કોઈ ક્તલ થઈ નહિ. પણ તેમણે તે દિવસે આરામ કર્યો અને ખાનપાન તથા આનંદના ઉત્સવ તરીકે મનાવ્યો. સૂસા નગરના યહૂદીઓએ તો તેરમી અને ચૌદમી તારીખોએ દુશ્મનોની ક્તલ ચલાવી હતી. તેથી તેમણે પંદરમી તારીખે આરામ કર્યો અને ઉત્સવ મનાવ્યો. આથી કિલ્લેબંધી વિનાનાં નાનાં ગામડાંના યહૂદીઓ અદાર માસની ચૌદમી તારીખને આનંદ, ઉજાણી અને ભેટસોગાદ મોકલવાના તહેવાર તરીકે ઊજવે છે. મોર્દખાયે આ બનાવોની નોંધ કરાવી લીધી. વળી, તેણે અહાશ્વેરોશના રાજ્યમાં દૂર કે નજીક વસતા બધા યહૂદીઓ પર પત્રો પાઠવ્યા. તેણે જણાવ્યું, “દર વરસે અદાર માસની ચૌદમી અને પંદરમી તારીખે તહેવાર ઊજવવો. આ દિવસોએ યહૂદીઓએ તેમના દુશ્મનોના સંબંધમાં રાહતનો દમ ખેંચ્યો અને આ જ માસમાં તેમનાં શોક અને દુ:ખ, આનંદ અને હર્ષમાં ફેરવાઈ ગયાં હતાં. આ દિવસોએ આનંદ-ઉજાણી કર તથા ગરીબોને અને એકબીજાને ભેટસોગાદો આપવી.” આથી યહૂદીઓ મોર્દખાયની સૂચનાઓ અનુસર્યા અને આ પર્વ દર વરસે ઊજવાતું રહ્યું. અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર અને યહૂદીઓના દુશ્મન હામાને યહૂદીઓના વિનાશની તારીખ નક્કી કરવા ‘પૂરીમ’ એટલે ચિઠ્ઠીઓ નાખી હતી. પણ એસ્તેર રાજા પાસે ગઈ અને રાજાએ લેખિત હુકમ બહાર પાડયો. જેને પરિણામે હામાને યહૂદીઓના જેવા હાલહવાલ કરવા યોજના ઘડી હતી તેવા તેના પોતાના થયા. તેને અને તેના પુત્રોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. આ જ કારણથી આ દિવસો “પૂરીમ” (જેનો અર્થ ચિઠ્ઠીઓ થાય છે) પર્વ તરીકે ઊજવાય છે. મોર્દખાયનો પત્ર તથા યહૂદીઓ પર પડેલી વિપત્તિને લીધે, તેમણે આવો ઠરાવ કર્યો: “હવે પછી સર્વ યહૂદીઓએ, તેમના વંશજોએ અને યહૂદી ધર્મ સ્વીકારનાર સૌ કોઈએ દર વરસે આ બે દિવસો દરમ્યાન મોર્દખાયની સૂચના પ્રમાણે પૂરીમનું પર્વ ઊજવવું. ભાવિ પ્રત્યેક પેઢીનાં યહૂદી કુટુંબોએ બધા પ્રાંત અને નગરમાં આ પૂરીમનું પર્વ પાળવું. આ પર્વ કદી ભુલાઈ કે વીસરાઈ જવું ન જોઈએ.” મોર્દખાયે પૂરીમ વિષે પત્ર લખ્યો ત્યારે તેની સાથે સાથે અબિહાઈલની પુત્રી એસ્તેર રાણીએ પણ પોતાની સત્તાથી પૂરીમ વિષે બીજો પત્ર લખ્યો. આ પત્ર સર્વ યહૂદીઓને ઉદ્દેશીને લખવામાં આવ્યો અને અહાશ્વેરોશ રાજાના એક્સો સત્તાવીસ પ્રાંતો પર મોકલવામાં આવ્યો. તેમાં યહૂદીઓને શાંતિ અને સલામતીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વળી, જે રીતે ઉપવાસ અને શોકનાં પર્વો પળાતાં હતાં તે જ રીતે પૂરીમનું પર્વ નિયત સમયે ઊજવવામાં આવે તેમ તેમને જણાવવામાં આવ્યું હતું. મોર્દખાય અને એસ્તેર એમ બન્‍નેએ પૂરીમનું પર્વ પાળવા વિષે પત્રો પાઠવ્યા હતા. પૂરીમનું પર્વ પાળવા વિષે એસ્તેરે આપેલા આદેશની નોંધ રાજઇતિહાસના અધિકૃત પુસ્તકમાં લેવામાં આવી. અહાશ્વેરોશ રાજાએ સામ્રાજ્યના અંદરના તેમ જ સમુદ્રકાંઠાના લોકો પર વેઠ નાખી. તેનાં મહાન અને અદ્‍ભુત કૃત્યો અને તેણે કેવી રીતે મોર્દખાયને ઉચ્ચ પદવી આપી તેની નોંધ માદાય અને ઇરાનના રાજઇતિહાસના અધિકૃત પુસ્તકમાં લીધેલી છે. સામ્રાજ્યમાં અહાશ્વેરોશ રાજા પછી યહૂદી મોર્દખાયનું બીજું સ્થાન હતું. આથી યહૂદીઓમાં તે માનવંત અને માનીતો હતો. તેણે પોતાના લોકોની આબાદી અને ભાવિ પેઢીની સલામતી માટે ઘણું કામ કર્યું. યોબ નામે એક માણસ ઉસ દેશમાં વસતો હતો. તે નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર હતો. તેને સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં. તેની સંપત્તિમાં સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ અને ઘણાં દાસદાસીઓ હતાં; જેથી તે પૂર્વીય દેશોના લોકોમાં સૌથી નામાંક્તિ ગણાતો હતો. તેના પુત્રો પોતપોતાને ઘેર વારાફરતી મિજબાની ગોઠવતા અને પોતાની ત્રણ બહેનોને પણ પોતાની સાથે ભોજન માટે નિમંત્રણ આપતા. મિજબાનીના દિવસ પૂરા થાય તે પછી યોબ તે બધાંને બોલાવીને તેમનું શુદ્ધિકરણ કરતો. એ માટે તે વહેલી સવારે ઊઠીને પોતાના દરેક સંતાનને માટે દહનબલિ ચડાવતો; કારણ, તે વિચારતો કે, “કદાચ, મારા પુત્રોએ પાપ કર્યું હોય અને તેમના હૃદયમાં ઈશ્વરનિંદા કરી હોય!” યોબ એ પ્રમાણે હમેશ કરતો. એક દિવસે સ્વર્ગદૂતો પ્રભુની તહેનાતમાં હાજર થયા હતા અને શેતાન પણ તેમની સાથે આવ્યો. પ્રભુએ શેતાનને પૂછયું. “તું કયાં જઈ આવ્યો?” શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “પૃથ્વી પર હું રખડતો હતો, અને ત્યાં આમતેમ લટાર મારતો હતો.” પ્રભુએ શેતાનને પૂછયું: “શું તેં મારા ભક્ત યોબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક તથા ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર બીજો કોઈ નથી.” શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “શું યોબ વિનાકારણ ઈશ્વરનો ડર રાખે છે? શું તમે તેનું, તેના કુટુંબનું અને તેની સર્વ સંપત્તિનું ચોતરફથી જાણે કે વાડ બાંધીને રક્ષણ કરતા નથી? તેના દરેક કાર્યને તમે આશિષ દો છો; અને તેની પશુસંપત્તિ દેશમાં વિસ્તારી છે. પરંતુ તમારો હાથ ઉગામીને તેના પર પ્રહાર કરો તો તે મોંઢે ચઢીને તમને શાપ આપશે.” પ્રભુએ શેતાનને કહ્યું: “ભલે, યોબનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું, પણ યોબના પંડને કશી ઈજા પહોંચાડવાની નથી.” પછી શેતાન પ્રભુની સમક્ષતામાંથી ચાલ્યો ગયો. એક દિવસ યોબનાં પુત્રપુત્રીઓ તેમના સૌથી મોટા ભાઈને ત્યાં ભોજન લેતાં હતાં અને દ્રાક્ષાસવ પીતાં હતાં. ત્યારે એક સંદેશકે યોબ પાસે આવીને કહ્યું: “બળદો ખેતર ખેડતા હતા અને ગધેડાં બાજુમાં ચરતાં હતાં, ત્યારે શબાઈમ લોકો હુમલો કરીને તેમને લઈ ગયા; તેમણે બધા નોકરોને તરવારથી કાપી નાખ્યા છે. તમને ખબર આપવા માટે માત્ર હું એકલો જ બચવા પામ્યો છું. પહેલો હજુ બોલતો હતો ત્યાં તો બીજાએ આવીને કહ્યું: “આકાશમાંથી વીજળીએ પડીને ઘેટાં તથા નોકરોને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે, માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.” તે બોલતો હતો ત્યાં તો ત્રીજાએ આવીને કહ્યું: “ક્સ્દી લોકોની ત્રણ ટોળીઓએ હુમલો કરીને ઊંટોને લઈ ગયા છે, અને બધા નોકરોને તરવારથી કાપી નાખ્યા છે, માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.” તે બોલતો હતો ત્યાં તો ચોથાએ આવીને કહ્યું: “તમારા પુત્રો અને પુત્રીઓ સૌથી મોટા ભાઈના ઘરમાં ભોજન લેતાં હતાં અને દ્રાક્ષાસવ પીતાં હતાં. ત્યારે રણમાંથી ભારે આંધી ધસી આવી અને ઘરના ચારે ખૂણા પર વીંઝાતાં તેની અંદરના બધાં જુવાન સંતાનો પર તે તૂટી પડયું, અને તેઓ માર્યા ગયાં છે; માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.” આ સાંભળીને યોબ ઊઠયો. એણે શોકમાં પોતાનો જામો ફાડયો, પોતાનું માથું મુંડાવ્યું અને ભૂમિ પર મસ્તક ટેકવીને આરાધના કરી, અને કહ્યું કે, “મારી માતાના ઉદરમાંથી હું જન્મ્યો ત્યારે કશું લીધા વગર આવ્યો હતો, અને હું મૃત્યુ પામીશ ત્યારેય સાથે કશું લઈ જવાનો નથી; પ્રભુએ આપ્યું અને પ્રભુએ પાછું લઈ લીધું; યાહવેના નામને ધન્ય હો!” આ બધી વિપત્તિમાં યોબે ઈશ્વર પર દોષ મૂકવાનું પાપ કર્યું નહિ. ફરી એકવાર સ્વર્ગદૂતો પ્રભુની તહેનાતમાં હાજર થયા અને શેતાન પણ તેમની સાથે આવ્યો. પ્રભુએ શેતાનને પૂછયું: “તું કયાં જઈ આવ્યો?” શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “પૃથ્વી પર હું રખડતો હતો, અને ત્યાં આમતેમ લટાર મારતો હતો.” પ્રભુએ શેતાનને કહ્યું: “શું તેં મારા ભક્ત યોબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક તથા ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર બીજો કોઈ નથી. તેં તો તેને પાયમાલ કરવા મને વિનાકારણ ઉશ્કેર્યો, છતાં હજી તે પોતાની નિષ્ઠાને દઢતાથી વળગી રહ્યો છે.” શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “‘ચામડી સાટે ચામડી’, પોતાનો જીવ બચાવવા માટે તો માણસ પોતાનું સર્વસ્વ આપી દે, પરંતુ તમારો હાથ ઉગામીને તેના શરીરને પીડા આપો, એટલે તે મોઢે ચઢીને તમને શાપ આપશે.” પ્રભુએ શેતાનને કહ્યું: “ભલે, હું તેને તારા હાથમાં સોંપું છું; માત્ર તેનો જીવ બચાવજે.” શેતાન પ્રભુની સમક્ષતામાંથી ચાલ્યો ગયો. તેણે યોબના આખા શરીરમાં પગના તળિયેથી માથાના તાલકા સુધી પીડાદાયક ગૂમડાંનું દર્દ ઉપજાવ્યું. તેથી તેણે શરીરને ખંજવાળવા ઠીકરી લીધી અને રાખના ઢગલામાં જઈને બેઠો. ત્યારે તેની પત્નીએ તેને કહ્યું: “શું તું હજી તારી નિષ્ઠાને વળગી રહ્યો છે? ઈશ્વરને શાપ દે અને મરી જા.” યોબે તેને કહ્યુ: “તું તો કોઈ નાદાન સ્ત્રીની જેમ બોલે છે! શું ઈશ્વર પાસેથી આપણે સુખ જ સ્વીકારીએ. અને દુ:ખ ન સ્વીકારીએ?” એવી વિપત્તિમાં પણ યોબે પોતાના મુખે પાપ કર્યું નહિ. જ્યારે યોબ પર આવી પડેલી વિપત્તિના સમાચાર તેના ત્રણ મિત્રોએ જાણ્યા ત્યારે તેઓ એટલે, એલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથી પોતપોતાના ઘેરથી નીકળ્યા અને નક્કી કરેલ સ્થળે મળ્યા અને યોબને તેના દુ:ખમાં સહાનુભૂતિ દાખવવા અને આશ્વાસન આપવા ગયા. તેમણે દૂરથી યોબને જોયો ત્યારે તેઓ તેને ઓળખી પણ શક્યા નહિ, તેથી તેઓ પોક મૂકીને રડયા. તેમણે પોતપોતાનો ડગલો ફાડયો અને આકાશ તરફ પોતાના માથા પર ધૂળ ઉછાળતાં ઊંડો શોક પ્રગટ કર્યો. તેઓ તેની સાથે સાત દિવસ અને સાત રાત જમીન પર બેસી રહ્યા. યોબની પારાવાર પીડા જોઈને તેમનામાંથી કોઈ એક શબ્દ પણ બોલી શકાયું નહિ. આખરે યોબ બોલી ઊઠયો અને તેણે પોતાના જન્મદિવસને શાપ દીધો. યોબે આમ કહ્યું: “મારા જન્મદિવસનો સત્યાનાશ હો, અને ‘પુત્રનો ગર્ભ રહ્યો છે’ એવી ખબર પડી એ રાતનો પણ સત્યાનાશ હો. તે દિવસ અંધકારમય બની રહો, અને આકાશમાંના ઈશ્વર તેને ગણતરીમાં ન લો; તેના પર કોઈ પ્રકાશ ન થાઓ. એ દિવસ અંધકાર, ઘોર અંધકારથી છવાયેલો, વાદળથી ઘેરાયેલો અને સૂર્યગ્રહણથી ગમગીન બની રહો. તે રાતને પણ ઘોર અંધારું જકડી લો, વર્ષની તારીખોમાં એનું કોઈ સ્થાન ન રહો, અને મહિનાઓમાં એની ગણતરી ન થાઓ. તે રાત વંધ્યા બની રહો; તેમાં કંઈ હર્ષનાદ ન થાઓ. લેવિયથાનને છંછેડીને જગાડવામાં ચતુર સાધકો અને સમુદ્રને શાપ દેનારા, તેને શાપ દો. તેના પરોઢના તારા અંધકારમાં ગરક થઈ જાઓ, તે અજવાળાને ઝંખે, પણ તે તેને ન મળો, તે કદી પ્રભાતનાં કિરણો ન જુએ; કારણ, મારી આંખો વિપત્તિ જુએ જ નહિ, તે માટે તેણે મને જનમતો અટકાવ્યો નહિ. હું ગર્ભસ્થાનમાં જ મૃત્યુ કેમ ન પામ્યો? અથવા જનમતાંની સાથે જ મારો પ્રાણ કેમ ચાલ્યો ગયો નહિ? શા માટે મારી જનેતાએ મને ખોળામાં રમાડયો? શા માટે તેણે મને સ્તનપાન કરાવ્યું? નહિ તો, અત્યારે હું શાંતિમાં સૂતો હોત, અને નિરાંતે ઊંઘતો હોત. હાલ ખંડેર હાલતમાં છે એ મકબરા પોતાને માટે બાંધનાર પૃથ્વીના રાજવીઓ અને તેમના પ્રધાનોની સાથે અથવા પોતાના દફન આવાસોને સોનાચાંદીથી ભરી દેનાર રાજકુંવરોની સાથે હું હોત: ગર્ભપાતથી મરેલું જ જન્મ્યું હોય અને સંતાડી દીધું હોય, અને જેમણે જન્મીને પ્રકાશ જોયો જ નથી તેવાં બાળકોની જેમ મારી પણ હયાતી ન હોત. ત્યાં મૃત્યુલોક શેઓલમાં દુષ્ટોય ચૂપ થઈ જાય છે, અને થાકેલાઓ ત્યાં વિશ્રામ પામે છે. ગુલામો પણ ત્યાં નિરાંત અનુભવે છે. કારણ, ત્યાં તેમને મુકાદમોની બૂમો સાંભળવી પડતી નથી. ત્યાં નાના મોટા સૌ સરખા છે અને ગુલામ પોતાના માલિકથી મુક્ત છે. દુ:ખીઓને પ્રકાશ, અને ગમગીનોને જીવન કેમ અપાય છે? તેઓ મોતને માટે તલપે છે, દાટેલો ખજાનો શોધવા ખોદવું પડે એથી વિશેષ પ્રયત્નો એને માટે કરે છે, પણ તે જડતું નથી. દફનના સ્થાને પહોંચતાં તેઓ હરખાય છે, અને કબરમાં જાય ત્યારે તેઓ અતિ આનંદ માને છે. જે માણસનું ભાવિ ધૂંધળું છે, અને ઈશ્વરે જેને સકંજામાં લીધો છે તેને પ્રકાશ શા કામનો? મારા નિસાસા એ જ મારો ખોરાક બન્યા છે, અને મારા ઊંહકારા પાણીની પેઠે રેડાય છે. જેની મને દહેશત હતી તે જ મારા પર આવી પડયું. જેનો મને ડર હતો તેણે જ મને પકડી પાડયો છે. મને નથી નિરાંત કે નથી શાંતિ; અને નથી ચેન, પણ છે માત્ર સંતાપ!” ત્યારે એલિફાઝ તેમાનીએ ઉત્તર આપતાં કહ્યું: “જો કોઈ તને એક બે શબ્દ કહેવાની હિંમત કરે, તો તારાથી સહન થશે? પણ બોલ્યા વગર તો કોણ રહી શકે? તેં તો ઘણાને શિખામણ આપી છે; તેં નિર્બળ હાથવાળાને સબળ કર્યા છે. તારા શબ્દોએ ઠોકર ખાનારાઓને ટેકો આપ્યો છે; લથડતા ધૂંટણોવાળાને તેં સહારો આપ્યો છે. પરંતુ હવે તારા પર વિપત્તિ આવી પડી છે ત્યારે તું શિથિલ બની જાય છે. તે તને સ્પર્શે છે એટલે તું ગભરાઈ જાય છે. શું તને તારી નિષ્ઠા પર ભરોસો નથી? તારા સદાચાર પર તને કોઈ આશા નથી? યાદ કરી જો કે કોઈ નિર્દોષનો કદી વિનાશ થયો છે? અથવા કોઈ સદાચારીનો કદી નાશ થયો છે? મેં તો જોયું છે કે જેઓ ભૂંડાઈનાં ખેતર ખેડે છે અને અનિષ્ટનાં બી વાવે છે તેઓ તેવું જ લણે છે. ઈશ્વરના કોપરૂપી શ્વાસથી તેમનો વિનાશ થાય છે અને તેમના ક્રોધના ભડકાથી તેઓ ભસ્મીભૂત થાય છે. સિંહ ગર્જે છે અને વિકરાળ સિંહ ધૂરકે છે; પરંતુ જુવાન સિંહના દાંત તોડી નંખાય છે. શિકારના અભાવે સિંહ પણ નાશ પામે છે; અને સિંહણનાં બચ્ચાં વિખેરાઈ જાય છે. મારી પાસે એક સંદેશ ગુપ્ત રીતે આવ્યો છે; મારે કાને માત્ર તેના ભણકારા જ પડયા છે. માણસો જ્યારે ગાઢ નિદ્રામાં પોઢી જાય છે એવી એક રાતે મને વિમળ બનાવી દેતું એક દુ:સ્વપ્ન આવ્યું. હું તો ભયથી ધ્રૂજી ઊઠયો, મારાં સર્વ હાડકાંયે ધ્રૂજવા લાગ્યાં. એક આત્મા મારા મુખ પાસેથી સરક્યો અને ભયથી મારાં રૂંવાડાં ખડાં થઈ ગયાં. એક આકૃતિ ત્યાં ઊભી હોય એવું મને લાગ્યું. મેં તાકીને જોયું પણ કશું કરી શક્યો નહિ. નીરવ શાંતિમાં મેં એક મૃદુવાણી સાંભળી: મર્ત્ય માનવ ઈશ્વરની સમક્ષ નેક ઠરી શકે? અથવા કોઈ માણસ તેના સર્જક આગળ વિશુદ્ધ હોઈ શકે? ઈશ્વર તો પોતાના આકાશી સેવકોમાંય ભરોસો મૂક્તા નથી, અને પોતાના સ્વર્ગદૂતોમાંય તેમને ક્ષતિઓ દેખાય છે; તો જેનો પાયો ધૂળમાં છે એવી માટીની મઢૂલી જેવા શરીરમાં વસતો માનવી, જે પતંગિયાની પેઠે કચડાઈ જાય છે, તેની શી વિસાત? સવારથી સાંજ સુધીમાં તો તેમનો નાશ થઈ જાય છે; અને તેમનું નામનિશાન રહેતું નથી. તેમના તંબૂની મેખો ઉખાડી લેવામાં આવે છે, અને તેઓ જ્ઞાન વિના મૃત્યુ પામે છે. તો યોબ, તું હાંક મારી જો; તને કોઈ પ્રત્યુત્તર આપનાર છે? તું હવે કયા દેવદૂતને શરણે જઈશ? રીસ મૂર્ખની હત્યા કરે છે, અને ઈર્ષ્યા અબુધને હણી નાખે છે. મેં મૂર્ખને ઠરીઠામ થયેલો જોયો છે; તેમ જ તે પછી તેના નિવાસસ્થાન પર અચાનક શાપ ઊતરતો જોયો છે. તેનાં સંતાનો તદ્દન લાચાર હોય છે, તેઓ પરેશાન થાય છે; કારણ, નગરના ન્યાયપંચમાંય તેમની હિમાયત કરનાર કોઈ નથી. તેના વાડવાળા ખેતરમાંથીયે ભૂખ્યાજનો તેનો પાક ખાઈ જાય છે; જ્યારે તરસ્યા માણસો તેમના પશુધનની દૂધ માટે લાલસા રાખે છે. આપત્તિ કંઈ ધરતીમાંથી ઊગતી નથી, અથવા સંકટ ભૂમિમાંથી ફૂટતું નથી. પરંતુ જેમ અગ્નિના તણખા ઊડીને ઊંચે જ જાય છે, તેમ માનવી પણ સંકટને માટે સરજાયો છે. જો હું તારી જગ્યાએ હોઉં તો ઈશ્વરને શરણે જાઉં અને તેમને જ મારો મુકદમો સોંપી દઉં. ઈશ્વરનાં કાર્યો મહાન અને અગમ્ય છે; તેમના અજાયબ ચમત્કારો અગણિત છે. તે ધરતી પર વરસાદ મોકલે છે અને ખેતરોને પાણીથી સિંચે છે. તે નમ્રજનોને ઉન્‍નત કરે છે અને શોક્તિ જનોને સલામતીને શિખરે પહોંચાડે છે. તે પ્રપંચીઓના પેંતરાને ઊંધા વાળે છે અને તેમના હાથનાં કાર્યો સફળ થવા દેતા નથી. તે ચાલબાજોને તેમની ચાલાકીમાં પકડી પાડે છે અને કપટીઓના કાવાદાવાને ઉથલાવી નાખે છે. ધોળે દહાડે તેઓ અંધકારમાં આથડે છે; ભરબપોરે પણ જાણે રાત્રિ હોય તેમ તેઓ ફાંફાં મારે છે. ઈશ્વર લાચારોને તલવારથી ઉગારે છે; અને કંગાળોને બળવાનોના હાથમાંથી છોડાવે છે. તેથી ગરીબોમાં આશા ઉત્પન્‍ન થાય છે અને અન્યાયનું મુખ બંધ કરાય છે. ઈશ્વર જેને શિસ્તમાં રાખે તેને ધન્ય છે. તેથી સર્વસમર્થની શિક્ષાની ઉપેક્ષા ન કર. કારણ, તે ઘાયલ કરે છે, તો પાટો પણ બાંધે છે. તેમના હાથ ઈજા પહોંચાડે તો તે ઘા રૂઝવે પણ છે. છ સંકટોમાંથી તે તને બચાવશે; સાત સંકટમાં તને કંઈ હાનિ થશે નહિ. દુકાળમાં તે તને મૃત્યુથી બચાવશે, અને યુદ્ધ સમયે તલવારના ઝાટકાથી ઉગારશે. જીભના શાપના વીંઝાતા કોરડાથી તે તને સલામત રાખશે, અને વિનાશ આવે ત્યારે પણ તું ડરીશ નહિ. જુલમ અને ભૂખમરાને તું હસી કાઢીશ અને પૃથ્વીનાં હિંસક પશુઓથી તું ડરીશ નહિ. તારા ખેતરોના પથરા તારા મિત્ર બની રહેશે અને જંગલી જનાવરો તારી સાથે સલાહસંપથી વર્તશે. તું તારા તંબૂમાં સલામતી અનુભવશે, અને તારા વાડામાં તપાસ કરશે, તો કોઈ ઘેટું ખોવાયેલું માલૂમ નહિ પડે. તું જાણશે કે તારા વંશજો પુષ્કળ છે, અને ગોચરમાંના ઘાસની જેમ તારો વંશવેલો વૃદ્ધિ પામશે. પાકેલ ધાન્યનો પૂળો મોસમે ખળામાં લવાય છે તેમ પાકટ વયે તું મૃત્યુ પામશે. અમે આ બધું ચક્સી જોયું છે કે તે સાચું છે. તો હવે, તું એ સાંભળ અને તારા હિતાર્થે તેનો સ્વીકાર કર.” તે પછી યોબે તેનો પ્રત્યુત્તર આપતાં કહ્યું, “જો મારી વેદનાને તોલવામાં આવે, અને મારા સમગ્ર દુ:ખને ત્રાજવામાં મૂકવામાં આવે; તો તે સમુદ્રકાંઠાની રેતી કરતાં વધારે વજનદાર થાય. તેથી મારા આવેશી શબ્દોથી આશ્ર્વર્ય પામશો નહિ. સર્વસમર્થનાં બાણ મારા અભ્યંતરમાં વાગ્યાં છે, એ બાણોને પાયેલું વિષ મારામાં વ્યાપી ગયું છે. ઈશ્વરના આતંકો મારી સામે લડવાને ક્તારબદ્ધ ઊભા છે. લીલું ઘાસ મળતું હોય ત્યારે જંગલી ગધેડો ભૂંકે ખરો? ચારો મળતો હોય ત્યારે બળદ બરાડે ખરો? ફિક્કો ખોરાક મીઠું નાખ્યા વગર ખવાય ખરો? અથવા ઈંડાની સફેદીમાં કંઈ સ્વાદ હોય ખરો? પણ ભૂખમાં યે જેને અડવાનું ય મન ન થાય એવા ખોરાક જેવી તમારી વાતો છે; અને પાછા મારી બીમારીમાં યે એ જ વાતો મારા આહાર તરીકે પીરસો છો? અરે, મારી વિનંતી સાંભળવામાં આવે, અને જે માટે હું તડપું છે તે ઈશ્વર મને બક્ષે તો કેવું સારું! એટલે, ઈશ્વર મને કચડી નાખવા રાજી થાય અને મને છૂટે હાથે રહેંસી નાખે તો કેવું સારું? તો તો મને ઘણી રાહત થાય; એ કારમી ક્તલમાં યે હું મસ્ત થઈશ. કારણ, મેં ઈશ્વરના શબ્દો ઉથાપ્યા નથી. કારણ, મારામાં એવી શક્તિ ક્યાં છે કે હું આશા રાખું? અને મારું ભાવિ એવું તો કેવું છે કે હું ધીરજ રાખું? શું મારી સહનશક્તિ પથ્થરોની સહનશક્તિ જેવી છે? શું મારું શરીર તાંબાનું બનેલું છે? શું હું જાતે તદ્દન લાચાર નથી? મેં તો મારી કાર્યદક્ષતા ગુમાવી છે. હતાશ થયેલા માણસ પ્રત્યે તેના મિત્રે હમદર્દી દાખવવી જોઈએ, નહિ તો તે સર્વસમર્થના ભયનો ત્યાગ કરશે. પરંતુ મારા મિત્રો તો સુકાઈ જતા ઝરણા જેવા ઠગારા નીવડયા છે. વરસાદ હોય ત્યારે તો તે છલકાઈ જાય છે. અથવા બરફ પીગળે ત્યારે અને હિમ ઓગળે ત્યારે પૂરથી ઊભરાય છે. પરંતુ સૂકી ઋતુમાં તેનું વહેણ અટકી જાય છે, અને ઉનાળાની ગરમીમાં તો તે સાવ અદશ્ય થઈ જાય છે. એવાં ઝરણાંઓને લીધે વણઝાર પોતાનો માર્ગ બદલે છે, અને રણપ્રદેશમાં ભટકી જઈને તેઓ નાશ પામે છે. તેમાં નગરના કાફલા પાણીનાં ઝરણાંની શોધ કરે છે, અને શેબાના સોદાગરો તેમને માટે ઝંખે છે. તેમણે તેમના પર આધાર રાખ્યો, તેથી લજ્જિત થયા અને તેઓ તેમની પાસે પહોંચીને ભોંઠા પડે છે. હવે તમે પણ મારે માટે એવા બન્યા છો. મારો ભયંકર ચિતાર જોઈને તમે ગભરાઈ જાઓ છો. શું મેં કદી કહ્યું છે કે, ‘મને કંઈ આપો’ કે ‘તમારા ધનમાંથી મારે માટે મુક્તિમૂલ્ય ચૂકવો?’ કે ‘શત્રુના હાથમાંથી મને ઉગારો’ કે ‘ઘાતકી માણસોના પાશમાંથી મને છોડાવો.’ મારી ભૂલ શી છે તે મને સમજાવો, એટલે, હું ચૂપ થઈ જઈશ. સત્ય કથનો કેવાં સચોટ હોય છે! પણ તમારી દલીલો તો વાહિયાત છે. તમે તમારા શબ્દોથી મને ઠપકો આપવા માંગો છો, પણ મારા નિરાશાના શબ્દો તમને બકવાસ લાગે છે! તમે તો અનાથને માટે ચિઠ્ઠીઓ નાખો એવા છો; અરે, મિત્રોને પણ વેચી મારો તેવા છો! હવે મહેરબાની કરીને મારી તરફ જુઓ; કારણ, તમારી આગળ હું જૂઠું બોલવાનો નથી. બસ, હવે અન્યાય કરશો નહિ. હવે બહુ થયું. કારણ, મારો દાવો વાજબી છે. મારી જીભે હું કંઈ ખોટું બોલું છું? સાચુંખોટું પારખવાની શક્તિ મારામાં નથી? “માણસનું પૃથ્વી પરનું જીવન સતત સંઘર્ષનું નથી? શું એના દિવસો મજૂરના દિવસો જેવા નથી? ગુલામ છાંયડાની ઝંખના કરે છે, અને કામદાર આતુરતાથી વેતનની રાહ જુએ છે. એની જેમ મારે પણ મહિનાઓ વ્યર્થતામાં વીતાવવા પડે છે અને મારે ફાળે ગમગીનીની રાતો આવી છે. સૂતી વેળાએ હું વિચારે ચડું છું કે, ‘સવાર ક્યારે થશે?’ પણ રાત લંબાયા કરે છે અને સૂર્યોદય થતાં સુધી હું પડખાં ફેરવ્યા કરું છું. મારું શરીર કીડાઓ અને ક્દવથી ઢંક્યેલું છે. મારાં ભીંગડાં ફાટે છે અને તેમાંથી પરું વહે છે. વણકરના કાંટલા કરતાં ય મારા દિવસો વધુ ઝડપથી પસાર થાય છે, અને કોઈ પણ આશા વિના તેમનો અંત આવે છે. હે ઈશ્વર, સંભારો તો ખરા કે મારી જિંદગી એક ફૂંક જેવી છે. મારી આંખો ફરી કદીય સુખ જોનાર નથી. મારા પર સતત નજર રાખનાર આંખ પછી ક્યારેય મારી ચોકી કરશે નહિ; તમારી આંખો મને શોધશે, પણ હું હયાત હોઈશ નહિ. વાદળ વેરાઈ જઈને લોપ થઈ જાય છે, તેમજ મૃત્યુલોક શેઓલમાં ઊતરનાર પાછા ઉપર આવતા નથી. મૃત્યુ પામેલો માણસ પોતાને ઘેર પાછો આવશે નહિ, તેનું ઘર પણ તેને વીસરી જશે! તેથી હું મૌન રહી શક્તો નથી. મારા અંતરની તીવ્ર વેદના જ મને બોલવા પ્રેરે છે, મારા પ્રાણની કડવાશ જ મારી પાસે ફરિયાદ કરાવે છે. હું તે શું સમુદ્ર કે જલરાક્ષસ લિવયાથાન છું કે તમે મારા પર પહેરો મૂકો છો? જો હું વિચારું કે મારી પથારી તો મને શાંતિ આપશે કે મારો પલંગ મારા સંતાપને હળવો કરશે, ત્યારે તમે મને દુ:સ્વપ્નોથી ગભરાવો છો, અને ભયાનક સંદર્શનોથી થથરાવો છો! એથી તો મને ફાંસીએ લટકાઈ જવાનું, અને આ કંટાળાજનક વેદના કરતાં મોતને ભેટવાનું મન થાય છે. હું ત્રાસી ગયો છું. મારે ઝાંઝુ જીવવું જ નથી. મારો પીછો છોડો, કારણ, મારી જિંદગી વ્યર્થ છે. માનવી તે કોણ કે તમે તેને આટલું મહત્ત્વ આપો છો? અને તેના પર તમારું ચિત્ત લગાડો છો? કે રોજ સવારે તમે તેની તપાસ રાખો છો? અને પળેપળ તેની પારખ કરો છો? શું તમે એક ક્ષણભર પણ તમારી દષ્ટિ મારા પરથી ઉઠાવી લેશો નહિ, અને મને થૂંક ગળવા જેટલો પણ અવકાશ નહિ આપો? હે માનવજાતના ચોકીદાર, મેં પાપ કર્યું હોય તો એમાં મેં જ તમારું શું બગાડયું છે, કે તમે મને તમારા તાકવાનું નિશાન બનાવ્યો છે? શું હું જ તમારે માટે બોજારૂપ છું? શા માટે તમે મારા અપરાધ ક્ષમા કરતા નથી, અને મારો દોષ દૂર કરતા નથી? કારણ, હું ધૂળમાં પોઢી જાઉં તે પછી તો તમે મને શોધશો, પણ હું હયાત નહિ હોઉં.” તે પછી બિલ્દાદ શૂહીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું, “યોબ, ક્યાં સુધી તું લવારો કર્યા કરીશ? શું તારા મુખના શબ્દો તોફાની ઝંઝાવાતની જેમ ફુંક્યા જ કરશે? શું ઈશ્વર ન્યાયને કદી મચડે છે? શું સર્વસમર્થ ઈનસાફને વિકૃત કરે છે? તારાં સંતાનોએ ઈશ્વર વિરૂદ્ધ પાપ કર્યું હશે, અને તેથી જ ઈશ્વરે તેમને તેમના અપરાધોની સજા કરી. હવે જો તું ખંતથી ઈશ્વરની શોધ કરશે, અને સર્વસમર્થને દયા માટે યાચના કરશે; જો તું વિશુદ્ધ અને પ્રામાણિક હશે તો ઈશ્વર તારી વહારે ધાશે, અને તને તારા હક્કનું નિવાસસ્થાન પાછું આપશે. તારી પાછલી સમૃદ્ધિ એવી વધી જશે કે તારી ભૂતકાળની સમૃદ્ધિ એની આગળ જૂજ લાગશે. કૃપા કરી પાછલી પેઢીઓને પૂછી જો, અને પૂર્વજોનાં સંશોધન લક્ષમાં લે. એમાંથી જરૂર તને કંઈક શીખવાનું મળશે; એમનાં કથનો એમની કોઠાસૂઝ બતાવશે. કેમ કે આપણે તો આજકાલના છીએ અને કંઈ જાણતા નથી; અને પૃથ્વી પરનું આપણું આયુષ્ય છાયા જેવું છે. *** શું ક્દવ વિના બરૂ ઊગી શકે? શું એની સળીઓ પાણી વિના પાંગરી શકે? હજુ તો તે વધી રહ્યું હોય અને કપાયું ન હોય, ત્યાં તો પાણી વિના તે ઘાસનીય પહેલાં સુકાઈ જાય છે. ઈશ્વરને વીસરી જનારના એવા જ હાલ થાય છે, અને ઈશ્વર વિરોધીઓની આશા નષ્ટ થાય છે. કારણ, એવા લોકોની શ્રદ્ધા જાણે પાતળા તંતુ પર, અને એમનો આધાર જાણે કરોળિયાનાં જાળાં પર હોય છે. તેઓ જાળાં પર આધાર રાખે છે પણ તે છૂટી જાય છે, તેઓ તેને વળગી રહે છે પણ તે ટકી શકતું નથી. તેઓ તો સૂર્યપ્રકાશમાં પાંગરેલા લીલાછમ વેલા જેવા છે: જેની ડાળીઓ આખા બગીચામાં ફરી વળે છે; તે પોતાનાં મૂળિયાં ખડકની આજુબાજુ વિંટાળે છે, અને પથ્થરોના ઢગલાને પણ જકડી લે છે. પણ જ્યારે એ વેલો તેની જગામાંથી ઉખેડી નંખાય છે, ત્યારે એ ત્યાં હતો કે નહિ તેની કોઈને ખબર પણ પડશે નહિ. તેની હયાતીના સમય પૂરતો જ તેનો આનંદ હોય છે. પછી તેની જગાએ બીજા છોડ ઊગી નીકળે છે. પણ ઈશ્વર કદી નિર્દોષ વ્યક્તિનો ત્યાગ કરશે નહિ, કે દુષ્ટોનો હાથ પકડશે નહિ. હજીય ઈશ્વર તારું મુખ હાસ્યથી ભરી દેશે, અને તારા હોઠ આનંદના પોકાર કરશે; જ્યારે તારા શત્રુઓ લજ્જાથી ઢંકાશે, અને દુષ્ટોના તંબુઓનો વિનાશ થશે.” તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું; અલબત્ત, એ બધું તો હું જાણું છું, પરંતુ માણસ ઈશ્વર સમક્ષ કઈ રીતે નિર્દોષ ઠરી શકે? જો કોઈ તેમની સાથે વિવાદ કરવા ચાહે તો તેમના હજારમાંથી એકપણ પ્રશ્ર્નનો ઉત્તર કોણ આપી શકે? એ તો સર્વજ્ઞ અને સર્વસમર્થ છે; તેમની સામે પડીને કોણ સફળ થઈ શકે? તે પહાડોને અચાનક ખસેડી નાખે છે, અને પોતાના કોપમાં તેમને ઉથલાવી નાખે છે. તે ધરતીને તેના સ્થાનમાંથી હચમચાવે છે અને પૃથ્વીના આધારસ્તંભો કંપે છે. તે સૂર્યને આજ્ઞા કરે તો તે ઊગતો નથી અને તે તારાગણનો પ્રકાશ રોકી દે છે. તે એકલે હાથે આકાશોને વિસ્તારે છે, અને સમુદ્રનાં મોજાં ખૂંદી નાખે છે. સપ્તર્ષિ, મૃગશીર્ષ, કૃત્તિકાનાં નક્ષત્રો અને દક્ષિણના તારાગણોના તે સર્જનહાર છે. ઈશ્વરનાં કાર્યો મહાન અને અગમ્ય છે; તેમના અજાયબ ચમત્કારો અગણિત છે. ઈશ્વર મારી નજીકથી પસાર થાય તો પણ હું તેમને જોતો નથી. તે મારી આગળ જાય તો પણ મને દેખાતા નથી. જો તે કંઈ ઝૂંટવી લેવા માગે તો પણ તેમને કોણ અટકાવી શકે? અથવા ‘આ શું કરી રહ્યા છો?’ એમ કહેવાની હિંમત કોણ કરી શકે? કોઈ આવા ઈશ્વરનો કોપ પાછો વાળી શકે નહિ. અરે, જળરાક્ષસ રાહાબના સાથીદારો પણ તેમનાં ચરણો નીચે કચડાયેલા છે. તો પછી હું કોણ કે તેમને યોગ્ય જવાબ આપી શકું, અને મારી દલીલો રજૂ કરી શકું? જો હું નિર્દોષ હોઉં તો પણ તેમની આગળ હું દલીલ નહિ કરું; મારા ન્યાયાધીશ ઈશ્વર પાસે તો માત્ર ક્ષમાની યાચના જ કરું! જો તે મારી વિનંતીથી હાજર થયા હોત, તો પણ તેમણે મારી ફરિયાદ સાંભળી હોત કે કેમ તે માન્યામાં આવતું નથી. તે તો મને ઝંઝાવાતથી કચડી નાખે છે અને વિનાકારણ મારા ઘા વધારે છે. તે મને શ્વાસ પણ લેવા દેતા નથી અને તે મારા જીવને કડવાશથી ભરી દે છે. જો હું તેમની સામે બળનો પ્રયોગ કરું, તો જુઓ, તે તો કેવા બળવાન છે! જો હું તેમના પર દાવો માંડુ, તો કોણ તેમને હાજર થવા ફરમાવે? કદાપિ હું નિર્દોષ હોઉં તો પણ મારા જ મુખે તે મને દોષિત ઠરાવે! કદાપિ હું ભોળો હોઉ તો પણ તે મને કુટિલ ઠરાવે! હું નિર્દોષ છું. હવે મને મારી જાતની દરકાર નથી. કારણ, આ જિંદગીથી હું ત્રાસી ગયો છું. એ બધું એકનું એક છે, તેથી હું બોલી ઊઠું છું: ‘ઈશ્વર નિર્દોષ કે અપરાધી સૌનો નાશ કરે છે!’ જ્યારે કોઈ કુદરતી આફત મૃત્યુ લાવે છે ત્યારે નિર્દોષ જનોની અવદશાની તે મજાક ઉડાવે છે. જ્યારે કોઈ દેશ દુષ્ટોના હાથમાં પડે છે ત્યારે ઈશ્વર તેના ન્યાયાધીશોને અંધ બનાવે છે. એવું કરનાર ઈશ્વર વિના બીજું કોણ હોય? મારા દિવસો ઝડપી ખેપિયા કરતાંય વિશેષ વેગે પસાર થાય છે; તેઓ ઊડી જાય છે અને એમાં સુખની ઝાંખી સરખી ય નથી. પાણીમાં સરક્તી બરુની હલકી હોડીઓની જેમ, અને શિકાર પર તરાપ મારતા ગરૂડની જેમ તેઓ વેગે ચાલ્યા જાય છે. જો હું મારી વિપત્તિને વીસરી જવાનો પ્રયત્ન કરું, જો મારી ઉદાસીનતા દબાવી દઈ હસમુખો દેખાવાનો યત્ન કરું, તો મારાં દુ:ખો મને ડરાવે છે! કારણ, મને ખાતરી છે કે તમે મને નિર્દોષ ગણવાના નથી. જો હું દોષિત ઠરવાનો જ હોઉં તો મારે શા માટે નકામી મહેનત કરવી? જો હું ગાળેલા શુદ્ધ પાણીથી સ્નાન કરું, અને ઘસી ઘસીને મારા હાથ સાફ કરું, તો પણ તમે મને કીચડમાં જ રગદોળશો, અને મારાં મલીન વસ્ત્રો પણ મને ધૂત્કારશે. ઈશ્વર કંઈ માણસ નથી કે હું તેમને પડકારું કે, “તો ચાલો, અદાલતે જઈને ન્યાય મેળવીએ!” અમારા બન્‍ને વચ્ચે કોઈ મયસ્થ પણ નથી કે, જે અમારા બન્‍ને પર હાથ મૂકીને સમાધાન કરાવે. હે ઈશ્વર, તમારી સોટી મારાથી દૂર રાખો, અને મને ડરાવો નહિ. ત્યારે તો હું નિર્ભયતાથી બોલીશ; કારણ, હું જાતે કંઈ ગુનેગાર નથી. “મારો જીવ આ જિંદગીથી ત્રાસી ગયો છે; તેથી હું મારી ફરિયાદનો ઊભરો ઠાલવીશ; મારા અંતરની વેદનાનું વિષ ઓકીશ. હું ઈશ્વરને કહીશ, મને દોષિત ઠરાવશો નહિ. મારી વિરુદ્ધનો આરોપ શો છે તે મને બતાવો. જુલમ કરવો, પોતાના હાથની કૃતિને ધૂત્કારવી, દુષ્ટોની કુટિલ યોજનાઓની તરફેણ કરવી, એ બધું શું તમને શોભે છે? શું તમારે ચર્મચક્ષુ છે? શું તમે માણસની જેમ જુઓ છો? શું તમારા દિવસો મર્ત્ય માણસના દિવસો જેવા ટૂંકા છે? અને શું તમારાં વર્ષો મનુષ્યોનાં વર્ષો જેવાં અલ્પ છે? કે તમે મારા અપરાધોની તપાસ રાખો છો અને મારાં પાપ શોધી કાઢો છો? જો કે તમે તો જાણો જ છો કે હું દોષિત નથી, તો પણ તમારા હાથમાંથી કોઈ છોડાવી શકે તેમ નથી. તમારા જ હાથોએ મને ઘડયો છે; તમે જ મને સર્જ્યો છે; હવે એ જ હાથે મારો વિનાશ પણ કરશો? સંભારો કે તમે મને માટીમાંથી ઘડયો છે; અને હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો? તમે જ મને મારા પિતાથી પેદા કર્યો છે; અને મારી માતાના ઉદરમાં વિક્સાવ્યો છે. તમે મને હાડકાં અને સ્નાયુઓથી ગૂંથ્યો છે, અને મને ચામડી અને માંસથી ઢાંક્યો છે. તમે મને જીવન અને પ્રેમ આપ્યાં છે; તમે મારું જતન કર્યું છે, અને મને સંભાળ્યો છે. છતાં હવે મને સમજાય છે કે મને દુ:ખ દેવાની યોજનાઓ તમે તમારા અંતરમાં છુપાવી હતી અને તેમને તમારા મનમાં ભરી રાખી હતી. એટલે જ હું કંઈ પાપ કરી બેસું તેની તમે તપાસ રાખતા હતા; જેથી મારા અપરાધને લીધે તમે મને દોષિત ઠરાવી શકો. જો હું દુષ્કર્મ કરું તો મને અફસોસ! પરંતુ જો હું નેક હોઉં તો પણ હું મારું માથું ઊંચું ઉઠાવીશ નહિ; કારણ, મારી પીડા પ્રતિ નજર કરું છું. ત્યારે હું શરમથી ઝૂકી જઉં છું. જો હું સહેજ ઊંચો થાઉં તો તમે મારા પર સિંહની પેઠે ત્રાટકો છો, અને મારી વિરુદ્ધ તમારી અદ્‍ભુત શક્તિનો પરચો આપો છો. તમે મારી વિરુદ્ધ તમારી દુશ્મનાવટ તાજી કરો છો અને મારી વિરુદ્ધ તમારો ક્રોધ સતત વધતો જાય છે અને મારા પર દુ:ખોના અવારનવાર હુમલા લાવો છો. હે ઈશ્વર, તો પછી શા માટે તમે મને ગર્ભસ્થાનમાંથી બહાર લાવ્યા? કોઈની નજર પડે તે પહેલાં જ હું મૃત્યુ પામ્યો હોત તો કેવું સારું! જાણે કે હું કદી હયાત હતો જ નહિ એ રીતે ગર્ભસ્થાનમાંથી સીધો કબરસ્તાનમાં લઈ જવાયો હોત. મારી જિંદગીના અલ્પ દિવસો પૂરા થવામાં છે માટે મારો કેડો મૂકો; થોડીવાર મને નિરાંત લેવા દો; જ્યાંથી હું કદી પાછો ફરવાનો નથી, એવા અંધકાર અને ગમગીનીના; જ્યાં પ્રકાશ પણ અંધકારમય છે એવા ઘોર અંધાર અને ગાઢ રાત્રિના પ્રદેશમાં હું જાઉં તે પહેલાં મને જંપવા દો.” તે પછી સોફાર નાઅમાથીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું, “આ બકવાટનો ઉત્તર નહિ અપાય? શું જીભાજોડી કરનાર નેક ઠરશે? યોબ, તારો બડબડાટ શું માણસોને ચૂપ કરી દેશે? તું મજાક કરે તો ય તને ઠપકો ન મળે? તું કહે છે કે ‘મારો જ મત સાચો છે.’ અને તારી પોતાની દષ્ટિમાં તું નિર્દોષ છે. પરંતુ જો ઈશ્વર પોતે જ બોલે, અને તારી વિરુદ્ધ તેમનું મુખ ઉઘાડે તો કેવું સારું! તો તો તે તને જ્ઞાનનાં રહસ્યો પ્રગટ કરે. કારણ, સાચા જ્ઞાનને બે પાસાં હોય છે અને ઈશ્વર બધાં જ પાપ ધ્યાનમાં લેતા નથી. શું તમે ઈશ્વરનાં રહસ્યોનો તાગ કાઢી શકો? શું સર્વસમર્થનો પાર પામી શકો? તે તો સ્વર્ગ કરતાં પણ ઊંચે છે; તમે શું કરી શકો? તે તો મૃત્યુલોક શેઓલ કરતાં ઊંડે છે; તમે શું જાણી શકો? તે તો પૃથ્વી કરતાં વિશાળ છે, અને સમુદ્રો કરતાં વિસ્તૃત છે. ઈશ્વર કોઈની ઉપેક્ષા કરે અથવા કોઈની ધરપકડ કરી તેની સામે અદાલતી તપાસ ચલાવે તોય તેમને કોઈ રોકી શકે તેમ છે? ઈશ્વર તો જૂઠા માણસોને પારખી લે છે; જ્યારે તે દુષ્ટતા જુએ ત્યારે તે ધ્યાનમાં નહિ લે? જો જંગલી ગધેડાનું બચ્ચું માણસ જેટલી સમજ સાથે જ જનમતું હોય તો બુદ્ધિહીન માણસ પણ સમજથી વર્તતાં શીખે! જો તારી શાન ઠેકાણે આવે, અને તારા હાથ તેમના પ્રતિ પ્રાર્થનામાં પ્રસરે; જો તું તારા હાથમાંથી ભૂંડાઈ દૂર કરે, અને તારા તંબૂમાંથી દુષ્ટતા દૂર કરે; તો તું નિર્દોષ ઠરીને ઉન્‍નત મસ્તકે રહી શકશે, અને તું દઢ અને નીડર બનશે. ત્યારે તો તારી વિપત્તિ ભૂલાઈ જશે; ઓસરી ગયેલા પૂરની જેમ જ તેની યાદ માત્ર રહેશે. મયાહ્નના કરતાં તારી જિંદગી વધુ તેજસ્વી બનશે, અને રાત્રિ સવારમાં પલટાઈ જશે. આશાને લીધે તું નિશ્ર્વિંત બનશે, અને ચારે તરફ સલામતી જોઈને તને નિરાંતે ઊંઘ આવશે. તું આરામ લેતો હશે ત્યારે કોઈ ખલેલ પહોંચાડશે નહિ અને ઘણા લોકો તારી સદ્ભાવના શોધશે. પરંતુ દુષ્ટોની આંખો નિસ્તેજ થશે, તેમનું શરણસ્થાન નષ્ટ થશે અને તેમની આશા અંતિમ શ્વાસ સમી બનશે.” તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું, “બેશક તમે જ જ્ઞાનનો ભંડાર છો! તમે મરી જશો ત્યારે શેતાન પણ મરી પરવારશે! પરંતુ તમારી જેમ મને પણ સમજ છે! હું તમારાથી કંઈ ઊતરતો નથી. તમે જે બોલ્યા તે કોણ જાણતું નથી? એક સમયે ઈશ્વર મારી પ્રાર્થના સાંભળતા હતા, પણ અત્યારે હું મારા મિત્રોની દષ્ટિમાં પણ હાંસીપાત્ર બન્યો છું; અને હું નેક અને નિર્દોષ માણસ હોવા છતાં મારી મજાક ઉડાવાય છે. સુખચેનમાં રહેનારા લોકો આપત્તિમાં આવી પડનારનો તિરસ્કાર કરે છે, એટલે દુર્દશામાં પડનારનો ઉપહાસ કરે છે. લૂંટારાઓના તંબૂમાં આબાદી હોય છે; ઈશ્વરને ચીડવનારા અને તેમને પોતાની હથેલીમાં રાખવાનો દાવો કરનારા સલામતીમાં રહે છે. પરંતુ પશુઓને પૂછો એટલે તેઓ તમને શીખવશે; આકાશનાં પક્ષીઓ તમને કહી બતાવશે. અથવા પૃથ્વીને પૂછો, એટલે તે તમને જ્ઞાન આપશે. સાગરનાં માછલાં તમને પાઠ શીખવશે. એ બધાં જ જાણે છે કે ઈશ્વરને હાથે જ સર્વ કાર્યો થાય છે. સર્વ સજીવોના પ્રાણ અને દરેક મનુષ્યનો આત્મા તેમના હાથમાં છે. જેમ જીભ અન્‍નનો સ્વાદ પારખે છે તેમ કાન શબ્દોને પારખે છે. વયોવૃદ્ધ માણસો પાસે જ્ઞાન હોય છે, પરંતુ ઈશ્વર પાસે જ્ઞાન અને સામર્થ્ય બન્‍ને છે. પરિપકવ માણસો પાસે સમજ હોય છે, પણ ઈશ્વર પાસે સમજ ઉપરાંત સત્તા પણ છે. *** ઈશ્વર જેને તોડી પાડે તેને કોણ ફરી બાંધે? તે જેને કેદ કરે તેને કોણ છોડાવે? ઈશ્વર વરસાદ રોકી દે તો દુકાળ પડે છે, અને વરસાદને છુટ્ટો દોર આપે તો તે ધરતીને પાયમાલ કરે છે. તેમની પાસે શક્તિ અને સૂઝ છે. ઠગનાર અને ઠગાનાર બન્‍ને તેમના અંકુશમાં છે. કુશળ રાજનીતિજ્ઞોને તે ઉઘાડે પગે દોરી જાય છે અને ન્યાયાધીશોને મૂર્ખ પુરવાર કરે છે. તે રાજવીઓના કમરબંધ છોડી નાખે છે, અને તેમની કમરે કેદીની સાંકળો બાંધે છે. તે યજ્ઞકારોને વસ્ત્રહીન કરીને દોરી જાય છે, અને સદ્ધર લોકોને ઊથલાવી નાખે છે. તે વાક્ચતુરોની વાચા લઈ લે છે, અને વડીલોની તર્કશક્તિ હરી લે છે. તે રાજવંશીઓ પર ફિટકાર વરસાવે છે અને શૂરવીરોને થથરાવી મૂકે છે. તે અંધકારમય ઊંડાણનાં રહસ્યો પ્રગટ કરે છે, અને ઘોર અંધકાર પર પ્રકાશ પાડે છે. તે રાષ્ટ્રોની ઉન્‍નતિ કરે છે અને પછી તેમનો વિનાશ કરે છે, તે પ્રજાઓની વૃદ્ધિ કરે છે અને પછી તેમને વિખેરી નાખે છે. તે દેશના નેતાઓની બુદ્ધિ હરી લે છે અને તેમને પંથહીન વેરાન પ્રદેશોમાં ભટકાવે છે. તેઓ પ્રકાશ વગર અંધકારમાં ફાંફાં મારે છે, અને પીધેલાની જેમ લથડિયાં ખાય છે. “તમે કહો છો એ તો મેં મારી આંખોએ જોયું છે; મારા પોતાના કાનોથી એ બધું સાંભળ્યું છે અને સમજ્યો છું. તમે જાણો છો તે હું પણ જાણું છું. હું તમારાથી કંઈ ઊતરતો નથી. પરંતુ મારી દાદ તો સર્વસમર્થ સામે છે, તમારી સામે નહિ! ઈશ્વરની સામે જ મારે મારા દાવાની દલીલો રજૂ કરવી છે! પણ તમે જુઠાણાંને ઓપ ચડાવો છો. તમે બધા જ ઊંટવૈદ જેવા છો! તમે ચૂપ રહો તો કેવું સારું! કારણ, એમાં જ તમારું શાણપણ છે. હવે મારી દલીલો સાંભળો, અને મારા મુખની દાદ પ્રત્યે લક્ષ આપો. શું તમે ઈશ્વરનો પક્ષ લેવા જૂઠાણાં ઉચ્ચારશો? અને તેમનો પક્ષ લેવા માટે કપટી વાતો બોલશો? શું તમે ઈશ્વરની હિમાયત કરીને પક્ષપાત કરશો? શું તમે ઈશ્વર વતી વકીલાત કરશો? જો ઈશ્વર તમારી ઝડતી લે તો તે તમારા લાભમાં થશે? માણસોને છેતરી શકાય તેમ તમે ઈશ્વરને છેતરી શકશો? ભલેને તમે ગુપ્તમાં પક્ષપાત દાખવતા હો તો ય તે તમને સખત ઠપકો આપશે! શું તેમના દૈવી પ્રતાપનો તમને ડર નહિ લાગે? શું તેમનો આંતક તમારા પર નહિ ઊતરે? તમારાં સૂત્રો રાખ જેવાં નકામાં છે, અને તમારી બચાવની દલીલો માટીના કિલ્લા જેવી તકલાદી છે. ચૂપ રહો, મને બોલી લેવા દો. પછી ભલે મારું જે થવાનું હોય તે થાય! હું મારા જાનનું જોખમ વહોરવા તૈયાર છું, હું મારા જીવને આખરી દાવમાં હોડમાં મૂકવા તૈયાર છું. અરે, તે મને રહેંસી નાખશે. હવે કોઈ આશા રહી નથી. તેમ છતાં, હું મારી વર્તણૂકનો તેમની સમક્ષ બચાવ રજૂ કરીશ. કદાચ, એ જ રીતે મારો છુટકારો થશે, કારણ, કોઈ અધર્મી ત્યાં ઈશ્વર સમક્ષ હાજર થઈ શકશે નહિ. મારી વાત ધ્યનથી સાંભળો, અને મારા નિવેદન તરફ લક્ષ આપો. જુઓ, મેં મારો દાવો રજૂ કર્યો છે; મને ખાતરી છે કે હું નિર્દોષ જાહેર કરાઈશ. મારી સામે કોઈ આરોપ મૂકનાર છે? તો હું ચૂપ રહેવા અને મરવા તૈયાર છું. હે ઈશ્વર, તમારી પાસે મારે માત્ર બે જ માગણી છે; એ સ્વીકારો તો હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ: તમારો હાથ મારા ઉપરથી દૂર કરો, અને તમારા આતંકથી મને થથરાવો નહિ. પછી મને પડકરો એટલે હું જવાબ આપીશ; પહેલાં મને બોલવા દો, પછી તમે પ્રત્યુત્તર આપો. મારા અપરાધ અને પાપ કેટલાં છે? મારા ગુના અને મારાં પાપ મને જણાવો. તમે શા માટે મારાથી તમારું મુખ સંતાડો છો? અને શા માટે મને તમારો શત્રુ ગણો છો? હું તો ધ્રૂજતા પાંદડાં જેવો છું; મને કેમ હેરાન કેમ કરો છો? હું તો સૂકા તણખલા સમાન છું; તમે મારી પાછળ કેમ પડયા છો? તમે મારી વિરુદ્ધ આકરો આરોપ લખાવો છો, અને મારી યુવાનીમાં થયેલા દોષો ગણી બતાવો છો. જો કે હું સડી ગયેલી વસ્તુની જેમ નષ્ટ થતો જાઉ છું અને ઉધઈએ કોરી ખાધેલા વસ્ત્રની જેમ ર્જીણ થતો જાઉં છું. તો પણ તમે મારા પગે બેડી બાંધો છો અને કયા માર્ગે મારું પગેરું જાય છે તે જાણવા મારા પગના તળિયે ડામનાં નિશાન લગાડો છો. “સ્ત્રીથી જન્મેલ પ્રત્યેક વ્યક્તિની આવરદા ટૂંકી અને સંકટથી ભરપૂર હોય છે. તે ફૂલની જેમ ખીલે છે અને પછી કરમાય છે. સરકી જનાર પડછાયાની જેમ તેની હયાતી ટક્તી નથી. હે ઈશ્વર, એવા ક્ષણભંગૂર માણસ પર તમે તમારી દષ્ટિ ફેરવો છો? અને મારી વિરુદ્ધ દાવો માંડીને ન્યાય તોળશો? (અશુદ્ધમાંથી કોઈ શુદ્ધ ઉપજાવી શકે? કોઈ નહિ.) મનુષ્યની આયુમર્યાદા નિશ્ર્વિત કરેલી છે; તેના આયુના મહિનાની સંખ્યા તમારા નિયંત્રણમાં છે; તમે આંકેલી વયમર્યાદા તે ઓળંગી શક્તો નથી. તેથી તમારી નજર તેના પરથી ઉઠાવી લો; જેથી થોડીવાર કામ અટકાવીને આરામ લઈ લેતા મજૂરની જેમ તેને નિરાંત વળે. વૃક્ષને માટે તો આશા હોય છે; જો તેને કાપી નાખવામાં આવે તો તે ફરીથી ફૂટશે, અને તેને કુમળી ડાળીઓ આવવાનું ચાલુ રહેશે. ભલે તેનું મૂળ જમીનમાં જૂનું થાય, અને તેનું થડ ધૂળમાં સુકાઈ જાય; તો પણ પાણીની ફોરમ માત્રથી તે ફૂટી નીકળશે, અને કુમળા છોડની જેમ તેને ડાળીઓ પાંગરશે. પરંતુ માણસ મૃત્યુ પામે છે અને તેને પોઢાડી દેવાય છે. તે અંતિમ શ્વાસ પૂરો કરે પછી તે ક્યાં છે? જેમ તળાવનાં પાણી સુકાઈ જાય છે, અને નદીનાં પાણી વહેતાં અટકીને સુકાઈ જાય છે; તેમ જ માણસો મૃત્યુ પામે છે અને ફરીથી જીવતા થતા નથી અને આકાશોનો ક્ષય થાય તે પહેલાં ઊઠવાના નથી અને તેમની ઊંઘમાંથી જાગવાના નથી. હે ઈશ્વર, તમે મને મૃત્યુલોક શેઓલમાં છુપાવી દો. તમારો કોપ શમી જાય ત્યાં સુધી મને ત્યાં સંતાડી રાખો. પછી સમય ઠરાવીને મને યાદ કરજો. મરી ગયેલો માણસ ફરીથી સજીવન થાય? તેથી મારી દશા બદલાય ત્યાં સુધી, અને મારી સર્વ વિપત્તિનો અંત આવે ત્યાં સુધી હું પ્રતીક્ષા કરીશ. પછી તમે મને હાંક મારશો, એટલે હું પ્રત્યુત્તર આપીશ; તમને ય તમારી આ કૃતિને જોવાની ઝંખના થશે. અત્યારે તો તમે મારા પગલાંની તપાસ રાખો છો, અને મારાં પાપ પર સતત ચોકી રાખો છો; અને મારા અપરાધો કોથળીમાં સીલબંધ રાખ્યા છે, અને મારા દોષ બાંધી રાખ્યા છે. જેમ પહાડો તૂટીને જમીનદોસ્ત થાય છે અને ખડકો તેમના સ્થાનેથી ખસી જાય છે, પાણી પથ્થરોને ઘસી નાખે છે અને મુશળધાર વર્ષા માટીને ઘસડી જાય છે તેમ જ તમે માણસની આશા નષ્ટ કરો છો. તમે માણસને કચડી નાખો છો એટલે તે ખતમ થઈ જાય છે. તમે તેના ચહેરાને વિકૃત કરો છો અને ધકેલી દો છો. તેના પુત્રો પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે તો પણ તેને તેની જાણ થતી નથી. અથવા તેઓ અપયશ પામે પણ તે અજાણ રહે છે. તેને તો કેવળ પોતાના શરીરની વેદનાનો જ અનુભવ થાય છે, અને માત્ર પોતાની જાત માટે જ શોક કરે છે.” તે પછી એલિફાઝ તેમાનીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું: “શું જ્ઞાની વ્યક્તિએ પોકળ દલીલો કરવી જોઈએ? ઉગમણા ઉષ્ણ વાયુથી ઉદર ભરી દેવું ઘટે?” શું તે વાહિયાત વાતો વડે વિવાદ કરે? અને હિતકારક ન હોય એવા શબ્દો વડે બચાવ કરે? પરંતુ તું તો ઈશ્વરપરાયણતાને દાબી દે છે, અને ઈશ્વર પ્રત્યેના ભક્તિભાવને અવરોધે છે. તારો અધર્મ તારી વાણીમાં પ્રગટ થાય છે, અને કપટી જનોની જેમ તું જીભ ચલાવે છે. હું નહિ, પણ તારું જ મુખ તને દોષિત ઠરાવે છે; તારા જ હોઠ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે. શું તું માનવજાતનો આદિપુરુષ છે?* શું ઈશ્વરે પર્વતો રચ્યા તે પહેલાં તું જન્મ્યો હતો? શું ઈશ્વરના દરબારની મંત્રણા તેં સાંભળી છે? શું તેં જ જ્ઞાનનો ઈજારો રાખ્યો છે? અમે ન જાણતા હોઈએ એવું તું શું જાણે છે? અમારામાં ન હોય એવી કઈ વિશિષ્ટ સમજણ તારામાં છે? પળિયાંવાળા અને વયોવૃદ્ધ જ્ઞાનીઓ અમારા પક્ષમાં છે; તેઓ તારા પિતા કરતાં ય વધારે ઉંમરવાળા છે! ઈશ્વરનાં આશ્વાસનો તારે માટે પૂરતાં નથી! કે તેમના નમ્ર શબ્દોની તને પરવા નથી? તારું મન તને કેમ ભમાવી દે છે? અને તું તારી આંખો કેમ કાઢે છે? તું ઈશ્વર વિરુદ્ધ ગુસ્સે થાય છે, અને તારા મુખમાંથી નિંદાકારક શબ્દો નીકળે છે. મનુષ્ય તે કોણ કે તે નિષ્કલંક હોઈ શકે? શું કોઈ સ્ત્રીજનિત નેક હોઈ શકે? જો ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોનો ય ભરોસો રાખતા નથી અને તેમની દષ્ટિમાં આકાશવાસીઓ પણ વિશુદ્ધ નથી. તો પછી કુટિલ અને ભ્રષ્ટ માનવી, જે પાણીની જેમ દુષ્ટતા પીએ છે તેની શી વિસાત! મારી વાત સાંભળ, હું તને સમજાવીશ; જે મેં જોયું છે તે જ હું જણાવીશ. એ સત્યો જ્ઞાનીઓએ શીખવ્યા છે અને એ રહસ્યો જ્ઞાનીઓના પિતૃઓએ છુપાવ્યાં નહોતાં. એકલા તેમને જ પ્રદેશ આપવામાં આવ્યો હતો અને તેમની વચમાં કોઈ પરદેશી વસ્યો નહોતો. દુષ્ટ જીવનપર્યંત યાતનામાં સબડશે અને જુલમીની આવરદા ટૂંકી હશે. તેના કાનમાં ભયના ભણકારા વાગશે; આબાદીના સમયે જ લૂંટારા તેના પર ત્રાટકશે. અંધકારમાંથી પાછા ફરવાની આશા તેને નથી; પરંતુ તેના માથા પર સંહારની તલવાર તોળાયેલી રહે છે. તેનો મૃતદેહ રઝળશે અને ગીધડાંનો આહાર બનશે; તે જાણે છે કે મૃત્યુનો દિવસ નક્કી છે. વિપત્તિ અને વેદના તેને કચડી નાખે છે; આક્રમણ કરવા સજ્જ થયેલ રાજાની જેમ તેને હરાવે છે. કારણ, એણે ઈશ્વરની સામે હાથ ઉપાડયો છે; એણે સર્વસમર્થ ઈશ્વરને પડકાર્યા છે. તે અક્કડ ગરદનનો થયો છે; તે ઈશ્વરની સામે ધસે છે. તે પોતાનું મોં ફૂલાવીને અને કમર કાસીને, તથા પોતાની ખીલાદાર ઢાલ લઈને સામનો કરે છે. *** પણ તે ઉજ્જડ થયેલાં નગરોમાં, વસવાટ માટે સદંતર અયોગ્ય અને ખંડેર થવાની તૈયારીમાં હોય તેવા ઘરોમાં રહેશે. તે ધનવાન રહેશે નહિ અને તેની સંપત્તિ ટકશે નહિ. તેની મિલક્ત મૃત્યુલોક સુધી પહોંચશે નહિ. તે અંધકારમાંથી છટકી શકશે નહિ. જેની ડાળીઓ અગ્નિથી ભરખાઈ જાય અને જેનો મહોર પવનથી ઊડી જાય એવા વૃક્ષના જેવો તે થશે. (મિથ્યા બાબતો પર વિશ્વાસ રાખીને તેણે છેતરાવું જોઈએ નહિ. કારણ, તેનો બદલો પણ મિથ્યા બાબતો જ હશે.) તેનો સમય પાકે તે પહેલાં તે સુકાઈ જશે. અને તેની ડાળીઓ લીલી રહેશે નહિ. તે જેની કાચી દ્રાક્ષો ખંખેરી લેવાઈ હોય એવા દ્રાક્ષવેલા જેવો, અને જેનો મહોર ખરી પડયો હોય એવા ઓલિવવૃક્ષ જેવો થશે. અધર્મીઓની જમાત વાંઝણી રહેશે; અને લાંચરુશવતથી ભરેલા તંબૂ ભસ્મીભૂત થશે. એવા દુષ્ટો ઉપદ્રવી યોજનાઓનો ગર્ભ ધરે છે અને દુષ્ટતાને જન્મ આપે છે અને એમ, તેમનાં હૃદય કપટરૂપી ગર્ભ પોષે છે.” તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું, “મેં આવી વાતો ઘણીવાર સાંભળી છે. તમારો દિલાસો તો ત્રાસદાયક છે! શું તમારા પોકળ શબ્દોનો અંત નહિ આવે? શું તમને પ્રત્યુત્તર આપવાની ચળ આવે છે? હું પણ તમારી માફક બોલી શકું છું; જો તમે મારે સ્થાને હોત તો શું હું તમારી સામે શબ્દોની સરવાણી ચલાવત? શું તમારી સામે માથું ધૂણાવી તમારી મજાક કરત? ના, હું તો મારા મુખના શબ્દોથી તમને પ્રોત્સાહન આપત, અને મારા હોઠોના સાંત્વનથી તમને રાહત આપત. હું બોલું તો પણ મારી બળતરામાં મને ઠંડક વળતી નથી; હું સહન કરીને શાંત રહું તોય મારી વેદના હળવી થતી નથી. હે ઈશ્વર, તમે તો મને થકવી નાખ્યો છે; તમે મારો સઘળો કુટુંબકબીલો ઉજ્જડ કરી નાખ્યો છે. તમે મારી ધરપકડ કરી છે તે જ મારી વિરુદ્ધની સાક્ષી છે. મારી રોગિષ્ટ દશા જ મારા અપરાધનો પુરાવો ગણાય છે. ઈશ્વર મને ધિક્કારે છે અને મને ક્રોધથી રહેંસી નાખે છે; પોતાના રોષમાં તે મારી સામે દાંત પીસે છે. મારો શત્રુ મારી સામે આંખો કાઢે છે. લોકો મારી સામે મોં વકાસીને તાકી રહ્યા છે; ગાલ પર લપડાક મારતા હોય તેમ તેઓ મને મહેણાં મારે છે; તેઓ મારી વિરુદ્ધ એકઠા થયા છે.” ઈશ્વરે મને અધર્મીઓને હવાલે કરી દીધો છે, અને દુષ્ટોના હાથમાં સોંપી દીધો છે. હું તો સુખચેનમાં હતો પણ તેમણે મારા ભૂક્કા બોલાવી દીધા છે; મારી ગરદનેથી પકડીને મને પછાડયો છે; હવે તેમણે મને તાકવાનું લક્ષ્ય બનાવ્યો છે. તેમના તીરંદાજો મને ઘેરી વળ્યા છે; તે મારા કાળજાને વીંધી નાખે છે, અને દયા દાખવતા નથી; તે મારું પિત્ત ભૂમિ પર રેડે છે. તેમણે મને વીંધી વીંધીને ચાળણી જેવો બનાવી દીધો છે; ઝનૂની બનેલા યોદ્ધાની જેમ તે મારા પર તૂટી પડે છે. મેં મારી ચામડી પર શોકનું કંતાન સીવી લીધું છે, અને મેં મારું માથું ધૂળમાં નમાવી દીધું છે. જો કે મારે હાથે કોઈ હિંસાચાર થયો નથી, અને મારી પ્રાર્થના પણ નિખાલસ છે, તોય મારું મોં રડીરડીને લાલચોળ થઈ ગયું છે અને મારી આંખે અંધારા આવે છે. *** હે ધરતી, મારું રક્ત ઢાંકીશ નહિ અને મારા આર્તનાદને ઘોરમાં સંતાડીશ નહિ! અલબત્ત, હાલ પણ મારો સાક્ષી સ્વર્ગમાં છે; મારો જામીન ઉચ્ચસ્થાને છે. તે ઈશ્વર સમક્ષ મારા વિચારો સમજાવે છે, તેને માટે મારી આંખો ઝૂરે છે. જેમ કોઈ મિત્ર પોતાના મિત્ર માટે અરજ કરે, તેમ તે મારે માટે લવાદી કરે તો કેવું સારું! કારણ, મારી જિંદગીનાં જૂજ વર્ષો બાકી છે અને કદી પાછા ફરી ન શકાય એ માર્ગે હું જઈ રહ્યો છું. “મારો આત્મા ભાંગી પડયો છે; મારા દિવસો પૂરા થયા છે; મારે માટે કબર તૈયાર છે. મારી આસપાસ માત્ર મજાક કરનારા છે, મારી આંખો તેમની ખીજવણી પર સતત મંડાયેલી છે. હે ઈશ્વર, હવે તો તમે જ મારા જામીન બનો; કારણ, તમારા વિના બીજું કોણ મારો જામીન થવા તૈયાર થશે? તમે મારા મિત્રોની વિચારશક્તિ હરી લીધી છે, તેથી હવે તેમને મારા પર વિજય પામવા દેશો નહિ. ‘જે પોતાના લાભ માટે મિત્રોને દગો દે છે, તેનાં સંતાનો પણ આંખો ગુમાવે છે.’ લોકોમાં હું કહેવતરૂપ થઈ પડયો છું; સૌ જેની સામે થૂંકે એવો હું તિરસ્કારપાત્ર થઈ પડયો છું. મારી આંખો વેદનાથી ઝાંખી થઈ છે, અને મારા સર્વ અવયવો પડછાયા જેવા બન્યા છે. પ્રામાણિકજનો એ જોઈને આઘાત પામે છે, અને નિર્દોષ લોકો અધર્મીઓ પ્રત્યે ઉશ્કેરાય છે. પરંતુ નેકજનો પોતાના માર્ગને વળગી રહે છે અને શુદ્ધ હાથવાળા ઉત્તરોત્તર બળવાન થાય છે. હે મારા મિત્રો, તમે બધા ભલે પાછા આવો; તમારામાં મને એકે ય જ્ઞાની જણાશે નહિ. મારા દિવસો પૂરા થયા છે, મારી યોજનાઓ પડી ભાંગી છે, મારા દયની ઝંખનાઓ નષ્ટ થઈ છે. મારા મિત્રો રાત્રિને દિવસમાં પલટી નાખવા ચાહે છે, અને તેઓ કહે છે, ‘હવે અંધકાર અલોપ થશે, અને પ્રકાશ નજીક છે.’ પરંતુ મૃત્યુલોક શેઓલ જ મારું ઘર બને એવી આશા મેં રાખી હોય, અને મેં મારું બિછાનું અંધકારમાં જ બિછાવ્યું હોય; જો મેં કબરને ‘તમે મારા પિતા છો’, એમ કહ્યું હોય, અને કીડાને મારી મા અથવા બહેન માની લીધાં હોય, તો પછી મારી આશા ક્યાં રહી? મારી આબાદી કોણ જોશે? શું મારી આશા ય મૃત્યુલોકમાં ઊતરી જશે? શું અમે બન્‍ને સાથે ધૂળમાં મળી જઈશું?” તે પછી બિલ્દાદ શૂહીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું. યોબ, ક્યાં સુધી તું શબ્દોની જાળ બિછાવીશ? થોડુંક સમજે તો અમને તારી સાથે બોલવાનું ફાવે. શા માટે તું અમને જનાવર જેવા ગણે છે? શું અમે તારી દષ્ટિમાં બુદ્ધિહીન છીએ? તું તારા ક્રોધાવેશમાં તારી જાતને ઘાયલ કરી નાખે, તો પણ તારે લીધે કંઈ પૃથ્વી વેરણખેરણ કરી નંખાશે, અથવા તને સંતોષવા કંઈ પહાડો ખસેડાશે? સાચે જ દુષ્ટનો દીવો ઓલવી નાખવામાં આવશે, અને તેના અગ્નિની જ્યોત ફરી પ્રજ્વલિત થશે નહિ. તેના તંબૂમાંનો પ્રકાશ તદ્દન ઝાંખો પડી જશે; અને તેની પાસેનો દીવો બૂઝાઈ જશે. તેનાં ધમધમતાં પગલાં ધીમાં પડી જશે, તે પોતાની જ કુયુક્તિઓમાં ફસાઈ જશે. તેના પોતાના જ પગ તેને જાળમાં સપડાવશે, અને તે જાતે જ ફાંદામાં પડશે. ફાંસો તેની એડીને જકડી લેશે અને પાશ તેને બાંધી દેશે. તેને માટે જમીન પર જાળ બિછાવવામાં આવી છે, અને તેના માર્ગમાં છટકું ગોઠવાયું છે. આતંકો તેને ચોમેરથી ડરાવે છે, અને તેનાં પગલાંનો પીછો કરે છે. તેની શક્તિ ભૂખથી ક્ષીણ થઈ છે અને તે ઠોકર ખાય એની જ રાહ વિપત્તિ જુએ છે. વ્યાધિ તેના અંગોની ચામડીને સડાવે છે અને મૃત્યુનો પ્રથમજનિત તેના અવયવોને કોચી ખાય છે. તેના સલામત તંબૂમાંથી તેને ખેંચી કાઢવામાં આવ્યો છે; આતંકના રાજા સમક્ષ તે ઘસડી જવાયો છે. તેના તંબૂને આગ લગાડવામાં આવી છે, અને તેના નિવાસ પર ગંધક વેરવામાં આવ્યો છે. નીચે તેનાં મૂળ સુકાઈ રહ્યાં છે, અને ઉપર તેની ડાળીઓ કરમાઈ રહી છે. દુનિયામાંથી તેની યાદગીરી નષ્ટ થઈ છે, અને શેરીમાં તેનું નામનિશાન રહ્યું નથી. તેને પ્રકાશમાંથી અંધકારમાં ધકેલી દેવામાં આવે છે, અને આ સંસારમાંથી તેને હાંકી કાઢવામાં આવે છે. પોતાના લોકોમાં તેને કોઈ સંતતિ કે વારસદાર નથી, અને તેના નિવાસમાં તેની પાછળ કોઈ વસનાર નથી. પશ્ર્વિમના લોકો તેની પડતીથી હાહાકાર કરે છે, અને પૂર્વના લોકો ભયથી ધ્રૂજી ઊઠે છે. દુષ્ટોના નિવાસોનો એવો જ અંજામ આવે છે, અને ઈશ્વરની અવજ્ઞા કરનારની એ જ દશા થાય છે.” તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું: “ક્યાં સુધી તમે મારા જીવને રીબાવશો, અને તમારા શબ્દોથી મને કચડયા કરશો? દશ દશ વાર તમે મને મહેણાં માર્યાં છે અને મારું દિલ દુભાવવામાં તમને જરાય શરમ નથી આવતી. ધારો કે મેં પાપ કર્યું જ હોય, તો મારી એ ભૂલ મારે માથે! પણ તમે પોતાને મારા કરતાં ચડિયાતા સમજતા હો, અને મારી નામોશીને મારી વિરુદ્ધનો પુરાવો ગણતા હો, તો હવે સમજી લો કે ઈશ્વરે જ મારી અવદશા કરી છે, અને તેમની જાળ મારા પર ફેંકી છે. મારા પરના જુલમ વિષે હું બૂમ પાડું છું, પણ કોઈ સાંભળતું નથી; હું મદદ માટે પોકાર કરું છું, પણ ન્યાય મળતો નથી. તેમણે મારા માર્ગમાં અભેદ્ય દીવાલ ઊભી કરી છે, એટલે હું આગળ જઈ શક્તો નથી; તેમણે મારો માર્ગ અંધકારથી ઢાંકી દીધો છે. તેમણે મારો વૈભવ છીનવી લીધો છે, તેમણે મારી પ્રતિષ્ઠાને ધૂળમાં ભેળવી દીધી છે. તેમણે મને ચોમેરથી તોડી પડયો છે અને હું નષ્ટ થઈ ગયો છું; તે મારી આશાને વૃક્ષની જેમ જડમૂળથી ઉખેડી નાખે છે. તેમણે મારી વિરુદ્ધ તેમનો ક્રોધાગ્નિ પ્રજ્વલિત કર્યો છે, અને મને પોતાનો દુશ્મન ગણે છે. તેમનાં લશ્કરો મારા પર એક સાથે ચડી આવે છે, તેઓ મારી વિરુદ્ધ મોરચો બાંધે છે અને મારા તંબૂની આસપાસ ઘેરો ઘાલે છે. તેમણે મારા ભાઈભાંડુને મારાથી દૂર કર્યા છે. મારા પરિચિતોથી હું છેક અપરિચિત થઈ ગયો છું. મારા નિકટના સ્નેહીઓએ મને તરછોડી દીધો છે; મારા ઘરમાં વસનારા મને વીસરી ગયા છે. મારી દાસીઓ મને અજાણ્યા જેવો ગણે છે. તેઓ મારી સાથે એક પરદેશીના જેવો વર્તાવ કરે છે. *** હું મારા નોકરને બોલાવું છું, પણ તે ગણકારતો નથી; મારે તેને ય કાલાવાલા કરવા પડે છે! મારી પત્નીને મારા શ્વાસની સૂગ ચડે છે, અને મારા સહોદરોને તે દુર્ગંધ સમ લાગે છે. અરે, છોકરાં પણ મારો તિરસ્કાર કરે છે; હું ઊભો થાઉં ત્યારે તેઓ મારી મશ્કરી કરે છે. મારા દિલોજાન દોસ્તો મારી ઘૃણા કરે છે. હું જેમને સૌથી વિશેષ ચાહતો હતો તેઓ મારાથી વિમુખ થયા છે. દાંત જેમ અવાળાંને વળગી રહે છે, તેમ મારાં હાડકાં મારાં માંસ અને ચામડીને વળગી રહ્યાં છે! દયા કરો, મારા પર દયા કરો. તમે તો મારા મિત્રો છો! કારણ, ઈશ્વરના હાથે મારા પર પ્રહાર કર્યો છે. ઈશ્વરની જેમ તમે પણ મને રીબાવો છો! મારું લોહી પીવા છતાં તમે ધરાતા નથી! અરે, મારા શબ્દો કોઈ લખી લે, અને તેમને પુસ્તકમાં નોંધી લે તો કેવું સારું! એમને લોઢાની છીણીથી અને સીસાથી સદાને માટે શિલા પર કોતરવામાં આવે તો કેવું સારું! મને સચોટ ખાતરી છે કે મારો બચાવ કરનાર જીવંત છે; છેવટે પૃથ્વીના પટ પર તે ખડા થશે; અને મારી ચામડી રોગથી ખવાઈ જાય તે પછી પણ હું પંડે તેમનું દર્શન કરીશ. હું તેમને જાતે જ નિહાળીશ; પારકી નહિ, પણ મારી પોતાની જ આંખો તેમનાં દર્શન કરશે. એ વિચાર માત્રથી મારા પેટમાં ધ્રાસકો પડે છે! આમાં મૂળ મારો દોષ છે એમ કહીને તમે મારો પીછો કરવા માગો છો? તો તમારે ય તલવારથી ડરવું જોઈએ; કારણ, ઈશ્વરનો કોપ સંહારની શિક્ષા લાવે છે, અને તમે જાણી લો કે ન્યાય કરનાર કોઈક છે.” તે પછી સોફાર નાઅમાથીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું; “યોબ, મારા વિચારો મને પ્રત્યુત્તર માટે પ્રેરે છે, અને એથી હું એ માટે અધીરો બની ગયો છું. અમારી દલીલો વિષેનો તારો રદિયો શરમજનક છે, અને મારી આંતરસૂઝ મને ઉત્તર સૂઝાડે છે. શું તું જાણે છે કે પ્રાચીન સમયથી, એટલે માનવજાતને પૃથ્વી પર વસાવવામાં આવી ત્યારથી, દુષ્ટની ખુશાલી અલ્પજીવી હોય છે, અને અધર્મીનો આનંદ ક્ષણિક હોય છે? તેની ઉન્‍નતિ આકાશ સુધી પહોંચે, અને તેનું માથું વાદળાંને ય આંબી જાય, તેમ છતાં પોતાની વિષ્ટાની જેમ તે નષ્ટ થશે. તેના ઓળખીતા પૂછશે, ‘તે ક્યાં ગયો?’ તે સ્વપ્નની જેમ ઊડી જશે અને શોયો જડશે નહિ; રાત્રિના સંદર્શનની જેમ તે લોપ થશે. તેની દેખરેખ રાખનાર આંખો તેને ફરીથી જોશે નહિ; તેનું નિવાસસ્થાન તેને ફરીથી જોવા પામશે નહિ. તેનાં સંતાનો ગરીબોની મહેરબાની શોધશે અને તેણે તેના હાથોએ પડાવી લીધેલ સંપત્તિ પાછી આપવી પડશે. તેનાં હાડકાંમાં જુવાનીનું જોમ છે, પણ તે તેની સાથે જ ધૂળમાં ભળી જશે. જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે, અને તે તેને પોતાની જીભ નીચે ભલે સંતાડે, અને તેની લહેજત માણવાને તેને કાઢી નાખવા તૈયાર ન હોય અને તેના પોતાના મુખમાં વાગોળ્યા કરે, તો પણ તેનો એ ખોરાક તેના પેટમાં બદલાઈ જશે, અને તેના જઠરમાં સાપના ઝેર જેવો બની જશે. તેણે હોઈયાં કરેલું ધન તે ઓકી નાખે છે. ઈશ્વર તેને તેના પેટમાંથી પાછું કઢાવે છે. દુષ્ટે સાપનું ઝેર ચૂસવું પડશે, અને નાગનો ક્તિલ ડંખ તેને હણી નાખશે. તે તેલની નદીઓ જોવા જીવતો રહેશે નહિ; તે દૂધમધની ધારા પણ જોવા પામશે નહિ. તેણે પોતાના પરિશ્રમનું ફળ ખાધા વિના પાછું આવવું પડશે, અને તે પોતાની કમાણી માણી શકશે નહિ. કારણ, તેણે ગરીબો પર જુલમ ગુજાર્યો છે અને તેમની અવગણના કરી છે; બીજાનાં બાંધેલાં ઘર તેણે પચાવી પાડયાં છે. તેના લોભને થોભ નથી, તોપણ પોતે સંઘરેલી સંપત્તિ તે સાચવી શકશે નહિ. તેની ભૂખ આગળ કશું બાકી રહેવા પામ્યું નથી, તેથી તેની સમૃદ્ધિ ટકશે નહિ. તેની વિપુલ સમૃદ્ધિના સમયે જ તે તંગીમાં આવી પડશે, અને તેના પર દરેક જાતની વિપત્તિ ત્રાટકશે. તેને પોતાનું પેટ પૂરેપૂરું ભરવા દો; કારણ, ઈશ્વર તેના પર પોતાનો ભયાનક ક્રોધાગ્નિ મોકલશે, અને તેના પર પોતાનો કોપ વરસાવશે. તે લોખંડના હથિયારથી બચી જવા યત્ન કરશે, ત્યારે તાંબાનું બાણ તેને વીંધી નાખશે. તેની પીઠમાંથી બાણ આરપાર નીકળી જશે, એની તેજદાર અણી તેના પિત્તાશયને વીંધીને બહાર આવશે; ત્યારે તેના પર આતંક છવાઈ જશે. તેના ખજાના પર ઘોર અંધકાર વ્યાપી જશે, જેને પેટાવવી પડતી નથી એવી વીજળી તેને ભસ્મ કરી નાખશે, અને તેના તંબૂમાં બચેલું સઘળું સળગી જશે. આકાશ એ દુષ્ટ માણસની ભ્રષ્ટતા ખુલ્લી પાડે છે. અને પૃથ્વી તેની વિરુદ્ધ સાક્ષી પૂરે છે. તેના ઘરની સંપત્તિ તણાઈ જશે, ઈશ્વરના કોપને દિવસે એ ઘસડાઈ જશે. દુષ્ટને ઈશ્વર તરફથી મળેલો એ હિસ્સો છે; તેમણે નીમેલો એ તેનો વારસો છે. તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું, “મારી વાત તમે ધ્યનથી સાંભળો; તમારી પાસેથી મને એટલા જ આશ્વાસનની અપેક્ષા છે. મારું આટલું સહન કરો અને મને બોલવા દો; હું બોલવાનું પૂરું કરું પછી મારી મજાક કરવી હોય તો કરજો. મારી ફરિયાદ શું કંઈ મર્ત્ય મનુષ્ય સામે છે? તો પછી હું અધીરો કેમ ન બનું?” મને જોઈને અચંબો પામો; મુખ પર હાથ મૂકીને અવાકા બની જાઓ. મારા પર જે આવી પડયું છે તે યાદ કરતાં જ ગભરામણ થાય છે. મારું આખું શરીર ભયથી કંપી ઊઠે છે. શા માટે દુષ્ટો લાંબું જીવે છે, અને વૃદ્ધાવસ્થાએ પહોંચે તેમ શક્તિશાળી બનતા જાય છે? તેમનાં સંતાન તેમની હયાતીમાં જ પગભર થાય છે અને તેમના વંશજો તેમની નજર સામે જ સમૃદ્ધ બને છે. તેમનાં ઘર હરકોઈ ભયથી સુરક્ષિત હોય છે, અને ઈશ્વરની સોટી તેમના કુટુંબ પર વીંઝાતી નથી. તેમના આખલા પ્રત્યેક સંવનનમાં સફળ રહે છે; તેમની ગાયો બચ્ચાં જણે છે અને કોઈ ગર્ભપાત થતો નથી. તેમનાં બાળકો ટોળાબંધ નીકળી પડે છે, અને તેમનાં બાળકો નાચેકૂદે છે. તેઓ ખંજરી અને વીણા સાથે ગીતો ગાય છે, અને વાંસળીના સૂરે કિલ્લોલ કરે છે. દુષ્ટો તેમની જિંદગી આબાદીમાં વિતાવે છે, અને સ્વસ્થતાથી મૃત્યુલોક શેઓલમાં ઊતરી જાય છે. જો કે આ દુષ્ટ લોકો તો ઈશ્વરને કહેતા, ‘અમારાથી દૂર રહો! અમે તમારા માર્ગો વિષે જાણવા માગતા નથી. સર્વસમર્થ વળી કોણ છે કે અમે તેમની સેવા કરીએ, અને તેમને પ્રાર્થના કરવાથી અમને શો લાભ?’ તેમની આબાદી શું તેમના પોતાના જ હાથમાં નથી? દુષ્ટો માટેના આવા ઈરાદા મને સમજાતા નથી. દુષ્ટોનો દીવો કેટલી વાર ઓલવી નાંખવામાં આવે છે? ક્યારે તેમના પર વિનાશ આવી પડે છે? ક્યારે ઈશ્વર પોતાના ક્રોધમાં તેમને દુ:ખ દે છે? શું તેઓ પવનમાં ઘસડાઈ જતા તણખલા સમાન, અને વંટોળમાં ઊડી જતા ફોતરા જેવા નથી? કહેવાય છે કે, “ઈશ્વર દુષ્ટોનાં સંતાનો માટે અવદશા સંઘરી રાખે છે. પરંતુ પાપીઓને તેમનાં પાપની સજા થાય તો તેમને સમજ પડે! તેમની પોતાની જ આંખોને તેમના વિનાશનો પ્યાલો જોવા દો, અને તેમને જાતે જ સર્વસમર્થના કોપનો પ્યાલો પીવા દો. કારણ, તેમની આવરદાનો અંત આવે ત્યારે મરણ પછી શું તેમને પોતાના ઘરકુટુંબની ચિંતા કરવી પડે છે? ” કોઈ ઈશ્વરને જ્ઞાન શીખવી શકે છે? કોઈ સર્વોચ્ચ ઈશ્વરનો ન્યાય કરી શકે? કેટલાક લોકો મૃત્યુના દિવસ સુધી તંદુરસ્તી ભોગવે છે, અને અંત સુધી સુખચેનમાં જીવે છે. તેમનાં શરીર ષ્ટપૃષ્ટ અને તેમનાં હાડકાં પણ મજ્જાથી ભરેલાં હોય છે. જ્યારે બીજા કેટલાક જીવનમાં દુ:ખ ભોગવતાં મરે છે, અને તેમને સુખનો છાંટો ય મળતો નથી! પરંતુ એ બધા જ એક સરખી રીતે ધૂળ ભેગા થાય છે. અને કીડાઓ તેમને ઢાંકી દે છે! સાચે જ, હું તમારા વિચારો જાણું છું; તમે તો મારી વિરુદ્ધ કાવતરાં ઘડો છો. કારણ તમે પૂછો છો, ‘જુલમગાર ઉમરાવનો મહેલ ક્યાં છે? દુષ્ટો વસતા હતા તે તંબૂઓ ક્યાં છે?’ શું તમે પ્રવાસીઓને પૂછયું નથી? શું તમે તેમની વાતો સાંભળી નથી? દુર્જન તો આપત્તિમાંથી બચી જાય છે, અને ઈશ્વરના કોપના દિવસે તે ઉગરી જાય છે. દુષ્ટ માણસ પર સામે મોંએ કોણ આરોપ મૂકે? અને તેનાં દુષ્કૃત્યોનો બદલો કોણ વાળે? તેને કબરે દફનાવવા લઈ જવામાં આવે છે. તેની કબર પર ચોકીપહેરો રખાય છે. તેને તો કબરના ખાડામાં પૂરાતાં ઢેફાં ય મીઠાં લાગે છે, અને તેની અંતિમયાત્રામાં આગળપાછળ અસંખ્ય લોકો જોડાય છે. તેથી મિથ્યા બકવાસથી તમે મને શું સાંત્વન આપવાના! તમારા પ્રત્યુત્તરોમાં જૂઠ સિવાય બીજું કશું નથી.” ત્યાર પછી એલિફાઝ તેમાનીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું, “શું કોઈ માણસ ઈશ્વરને ઉપયોગી થાય ખરો? અરે, કોઈ મહાજ્ઞાની માણસ પણ ઈશ્વરને લાભકારક નીવડે ખરો? તું નેક હો તો તેમાં સર્વસમર્થને રાજી થવા જેવું શું છે? અને તારા સદાચરણથી તેમને શો લાભ થાય? શું તે તને ભક્તિભાવને લીધે ઠપકો આપે છે, અને તારા પર મુકદમો ચલાવે છે? ના, એ તો તારી ઘોર દુષ્ટતાનું પરિણામ છે; તારા અપરાધોનો પાર નથી. તેં તારા જાતભાઈએ ગીરે મૂકેલી થાપણ અન્યાયથી પડાવી લીધી છે; અને દેણદારોનાં વસ્ત્ર ઉતારી લઈ તેમને નગ્ન કર્યાં છે. થાકેલાંને પીવાનું પાણી ય આપ્યું નથી, અને ભૂખ્યાંને ભોજનથી વંચિત રાખ્યાં છે. તેં જબરદસ્તીથી લોકોની જમીન પચાવી પાડી છે અને તારા ઉચ્ચ પદનો ગેરલાભ લઈ તેમાં વસવાટ કર્યો. તેં સહાય માટે આવેલી વિધવાઓને ખાલી હાથે પાછી કાઢી છે, અને અનાથો પર અત્યાચાર કર્યો છે. તેથી જ હવે તારી આસપાસ જાળ પથરાયેલી છે, અને અણધાર્યો આતંક તને ડરાવે છે. જેમાં થઈને જોઈ ન શકાય એવો અંધકાર તને ગભરાવે છે, અને પૂરનાં પાણી તારા પર ફરી વળ્યાં છે. શું ઈશ્વર સ્વર્ગમાં સર્વોચ્ચ સ્થાને બિરાજેલા નથી? તે ઉપરથી તારાઓને જુએ છે; અને તારા યે કેટલા ઊંચા છે! તેમ છતાં તું કહે છે; ‘ઈશ્વર શું જાણે? ગાઢ વાદળાંમાં થઈને તેમને શું દેખાવાનું છે કે તે ન્યાય કરી શકે?’ ઈશ્વર આકાશના ગુંબજ પર વિચરે છે. ત્યારે ઘાડાં વાદળો તેમને આવરી લે છે, તેથી તે જોઈ શક્તા નથી. જે અંધારે માર્ગે દુષ્ટો ચાલ્યા તે જ માર્ગને તું વળગી રહેવા માગે છે? તેઓ તો તેમનો નિયત સમય પૂરો થાય તે પહેલાં ઝડપી લેવાયા, અને ધરમૂળથી પૂરમાં તણાઈ ગયા. તેઓ ઈશ્વરને કહેતા, ‘અમારાથી દૂર રહો’ સર્વસમર્થ અમને શું કરી લેવાના છે?’ પરંતુ ઈશ્વરે જ તેમનાં ઘર સારાં વાનાથી ભરી દીધાં હતાં; દુષ્ટો માટેના એ ઈરાદા મને સમજાતા નથી. દુષ્ટોને થતી સજા જોઈને નેકજનો હરખાશે અને નિર્દોષજનો ઘૃણાપૂર્વક તેમની મશ્કરી કરશે. તેઓ કહે છે, ‘અમારા વૈરીઓ સંહાર પામ્યા છે, અને તેમાંથી બચી છૂટયા તેમને અગ્નિએ ભસ્મ કર્યા છે.’ તેથી યોબ, તું ઈશ્વર સાથે સમાધાન કર અને શાંતિ સ્થાપ; તેમ કરવાથી જ તારું ભલું થશે. તેમના મુખનો બોધ ગ્રહણ કર, અને તેમનાં કથનો તારા હૃદયમાં રાખ. જો તું સર્વસમર્થ પાસે પાછો ફરીશ, તો તું સંસ્થાપિત થશે; તેથી તારા નિવાસમાંથી ભૂંડાઈ દૂર કર. તારું સોનું ધૂળમાં ફેંકી દે; ઓફિરનું શુદ્ધ સોનું નાળાના પથરામાં નાખી દે. પછી તો સર્વસમર્થ તારું સોનું બની રહેશે; તે જ તારું કિંમતી રૂપું બની જશે. તું સર્વસમર્થમાં આનંદ કરીશ, અને ઈશ્વર તરફ આનંદથી તારું મુખ ઉઠાવશે. તું પ્રાર્થના કરશે ત્યારે ઈશ્વર ઉત્તર દેશે, અને તું તારી માનતાઓ પૂરી કરશે. તારો પ્રત્યેક નિર્ણય સફળ થશે, અને તારા માર્ગો પર પ્રકાશ પથરાશે. લોકો કોઈને ઉતારી પાડે ત્યારે તું તેની ઉન્‍નતિ માટે પ્રાર્થના કરશે, તો ઈશ્વર એવા પતિતોનો ઉદ્ધાર કરશે. નિર્દોષ ન હોય તેને પણ ઈશ્વર ઉગારશે, અને તારા હાથોની શુદ્ધતા તેને બચાવશે. તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું, “આજે પણ મારી ફરિયાદ વિદ્રોહભરી છે; કારણ, હું કણસું છું તો પણ તે મને કચડે છે. ઈશ્વરને ક્યાં શોધવા એ હું જાણતો હોત તો કેવું સારું! તો તો હું તેમના આસને પહોંચી, તેમની સમક્ષ મારો દાવો ક્રમશ: રજૂ કરત, અને દલીલોથી મારું મોં ભરી દેત. તે મને કેવા શબ્દોમાં ઉત્તર આપે છે તેની ખબર પડત, અને તે શું કહે છે તેની સમજ પડત. શું ઈશ્વર પોતાના પૂરા જોરથી મારી સાથે વિવાદ કરત? ના, ના, તે તો જરૂર મારી વાત લક્ષમાં લેત. ત્યાં તેમની સમક્ષ પ્રામાણિક માણસ ચર્ચા કરી શકે છે, અને તેથી હું મારા ન્યાયાધીશની સમક્ષ કાયમને માટે નિર્દોષ ઠરત. મેં પૂર્વમાં તેમની તપાસ કરી, પણ ઈશ્વર ત્યાં નથી, પશ્ર્વિમમાં ગયો, પણ તેમનો અણસાર મળ્યો નથી; ઉત્તરમાં શોધું, તોપણ તે ત્યાં દેખાતા નથી; દક્ષિણમાં ફરી વળું પણ તે મને જડતા નથી. પરંતુ ઈશ્વર તો મારી ચાલચલગત બરાબર જાણે છે, અને તે મારી ક્સોટી કરશે ત્યારે હું સોનાની જેમ ચળકી ઊઠીશ. હું તેમને પગલે પગલે જ ચાલ્યો છું, અને તેમના માર્ગમાંથી આમતેમ ભટકી ગયો નથી. તેમના મુખની આજ્ઞાઓ મેં તરછોડી નથી. તેમના મુખના શબ્દો મેં મારા અંતરમાં ખજાનાની જેમ સંઘર્યા છે. તે નિર્ણય લે તો કોણ બદલી શકે? તે જે ચાહે છે, તે જ તે કરે છે. પછી તે મારે માટે ઠરાવેલો ચુકાદો જાહેર કરશે; એમના મનમાં તો એવી ઘણી બાબતો સંઘરેલી હશે. તેથી તો તેમની રૂબરૂ જવાની વાતથી હું ભયભીત થાઉં છું, અને એ વિષે વિચારું છું ત્યારે ધ્રૂજી ઊઠું છું. ઈશ્વરે મારા દિલને હતાશ કરી દીધું છે, અને સર્વસમર્થે મને ગભરાવ્યો છે. ઘોર અંધકારે મારા ચહેરાને ઢાંકી દીધો છે, તેમ છતાં અંધકારે મને નષ્ટ કર્યો નથી!” “સર્વસમર્થ શા માટે ન્યાયનો સમય ઠરાવતા નથી? શા માટે તેમના ભક્તો ન્યાયના દિવસો જોતા નથી? દુષ્ટો જમીનની હદ દર્શાવતા પથ્થરો ખસેડે છે, અને બીજાંનાં ઘેટાં ચોરી લઈને પોતાના ટોળામાં સમાવી દે છે. તેઓ અનાથોનાં ગધેડાં હાંકી જાય છે અને વિધવાના બળદને ગીરવે રાખે છે. તેઓ કંગાલોને માર્ગમાંથી હડસેલી કાઢે છે, અને ગ્રામ્ય દરિદ્રીઓને સંતાવાની ફરજ પાડે છે. જેથી ગરીબો જંગલી ગધેડાની જેમ રણપ્રદેશમાં ખોરાક શોધવાના કામે જાય છે, અને તેઓ વગડામાં પોતાનાં બાળકો માટે આહાર શોધે છે. તેઓ શોષણખોરોના ખેતરોમાં ઘાસ કાપે છે, અને દુષ્ટોની દ્રાક્ષવાડીઓમાં દ્રાક્ષ વીણે છે. તેઓ આખી રાત ઓઢયા વગર ઉઘાડાં સૂઈ જાય છે, અને ઠંડીમાં પણ તેમની પાસે કંઈ ઓઢવાનું હોતું નથી. તેઓ ડુંગરાઓમાં વરસાદથી પલળી જાય છે, અને કોઈ આશરો નહિ હોવાથી ખડકની ઓથે જાય છે. દુષ્ટો ધાવતાં અનાથ બાળકોને આંચકી લે છે, અને ગરીબોનાં સંતાનોને દેવા પેટે ગીરવે રાખે છે. એ ગરીબો નવસ્ત્રા રખડે છે, અને અનાજના પૂળા ઊંચકનારા જ ભૂખ્યા રહે છે. તેઓ નીકમાં ઓલિવ તેલ પીલે છે; તેઓ દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષ ખૂંદે છે, છતાં તરસ્યા રહે છે. નગરમાં મરવા પડેલા લોકો કણસે છે, અને મરણતોલ ઘવાયેલાંના ગળાં ચીસો પાડે છે; તો પણ ઈશ્વર તે અન્યાયને ધ્યાનમાં લેતા નથી. દુષ્ટો પ્રકાશની વિરુદ્ધ બંડ પોકારે છે, અને તેમને પ્રકાશના માર્ગની જાણ નથી; અને એ માર્ગમાં તેઓ ટકી શક્તા નથી. નિર્બળ અને લાચાર ગરીબની હત્યા કરવા ખૂની પરોઢિયે જ ઊઠી જાય છે, અને પાછા રાત્રે ચોરી કરે છે. વ્યભિચારીની આંખ સાંજના અંધારાની વાટ જુએ છે. એ વિચારે છે કે કોઈ મને જોશે નહિ. વળી, તે પોતાનું મોં ઢાંકવા બુકાની બાંધે છે. તેઓ રાત્રે ઘરોમાં ખાતર પાડે છે, અને દિવસે બંધબારણે ભરાઈ રહે છે; તેઓ અજવાળાને ઓળખતા જ નથી. કારણ, ઘોર અંધકાર તેમને માટે સવાર જેવો છે, અને તેઓ અંધકારભર્યા આંતકના મિત્રો છે.” “દુષ્ટો પૂરના સપાટે તણાઈ જાય છે, અને તેમના હિસ્સાની જમીન શાપિત હોય છે; અને તેમની દ્રાક્ષવાડી તરફ કોઈ વળતું નથી. જેમ ગરમી અને અનાવૃષ્ટિમાં બરફનાં પાણી પણ શોષાઈ જાય છે, તેમ મૃત્યુલોક શેઓલ પાપીઓને ગળી જાય છે. દુષ્ટને તેની જનેતા પણ ભૂલી જાય છે; કીડા તેને કોતરી ખાય છે, કોઈ તેને યાદ કરતું નથી અને સડેલા વૃક્ષની જેમ તે નાશ પામે છે. કારણ, વાંઝણી નિ:સંતાન સ્ત્રીઓને તેણે ફોલી ખાધી હતી, અને કોઈ વિધવાનું ભલું કર્યું નથી. પરંતુ ઈશ્વર પોતાની શક્તિથી જુલમીઓને અંકુશમાં લે છે; ઈશ્વર ઊઠે છે એટલે તેમનાં જીવન સલામત રહેતાં નથી. ઈશ્વરે જ તેમને સલામત રાખ્યા અને સદ્ધર કર્યા; પણ ઈશ્વરની આંખો સતત તેમની ચાલચલગત પર હોય છે. અલ્પ સમય માટે તેઓ ઊગી નીકળે છે, પણ પછી નષ્ટ થાય છે; નકામા છોડની જેમ તેઓ કરમાઈ જાય છે; તેઓ ધાન્યના કણસલાંની જેમ કપાઈ જાય છે. આ જો એમ ન હોય તો કોઈ મને જૂઠો સાબિત કરે; અને મારા શબ્દોમાં કંઈ તથ્ય નથી એ પુરવાર કરે.” તે પછી બિલ્દાદ શૂહીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું; “ઈશ્વર સર્વશક્તિમાન છે, સૌ તેમનો આદરયુક્ત ભય રાખે; તે પોતાનાં સર્વોચ્ચ સ્થાનોમાં શાંતિ પ્રવર્તાવે છે. તેમનાં સ્વર્ગી સૈન્યોની કોઈ ગણતરી છે? તેમનો પ્રકાશ કોના પર પથરાતો નથી? તો ઈશ્વર સમક્ષ કોઈ માણસ કેવી રીતે નિર્દોષ ઠરી શકે? કયો સ્ત્રીજન્ય તેમની દષ્ટિમાં વિશુદ્ધ સાબિત થાય? ઈશ્વરની દષ્ટિમાં તો ચંદ્ર પણ નિસ્તેજ છે, અને તારાઓ પણ નિર્મળ નથી. તો પછી ઈયળસમાન મનુષ્ય અને કીડાસમાન માણસની શી વિસાત?” તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું; “મારા જેવા નિર્બળને તમે શી સહાય કરી? અને મારા અબળ હાથને કેટલો ટેકો આપ્યો? મારા જેવા અજ્ઞાનીને તમે કેવી સલાહ આપી, અને તમારા સાચા ડહાપણનું પ્રદાન કર્યું? પણ કોની સહાયથી તમે આ શબ્દો ઉચ્ચાર્યા? અને તમારી વાત માટે ક્યાંથી પ્રેરણા મળી?” “મૃતકોની દુનિયામાં રહેતા મૃતાત્માઓ કાંપે છે, મહાસાગરો અને તેમાં રહેનારાં ધ્રૂજે છે. ઈશ્વર સમક્ષ મૃત્યુલોક શેઓલ ખુલ્લું છે. અને અધોલોક અબાદ્દોનને કંઈ ઢાંકણ નથી. ઈશ્વર ઉત્તરદિશાને અવકાશમાં વિસ્તારે છે, અને પૃથ્વીને શૂન્યાવકાશમાં લટકાવે છે. ઈશ્વર પાણીને ઘાડાં વાદળોમાં બાંધી દે છે, છતાં પાણીના બોજથી વાદળો ફાટી જતાં નથી. તે પૂનમના ચંદ્ર પર ધુંઘટ નાખે છે,અને વાદળો વડે ચંદ્રના મુખને ઢાંકે છે. સાગરની જળસપાટી પર વર્તુળાકાર ક્ષિતિજે તેમણે પ્રકાશ અને અંધકાર વચ્ચે સીમા સ્થાપી છે. ઈશ્વરની ધમકીથી સ્તબ્ધ થઈને આકાશના સ્તંભો કાંપે છે. તેમણે પોતાના બળથી સમુદ્રનું મંથન કર્યું, અને પોતાની ચતુરાઈથી મહાનાગ રાહાબને વીંયો છે. તેમના વાયુએ સમુદ્રને ઝોળીમાં ભર્યો છે; તેમના ભૂજે ચંચળ નાગને વીંયો છે. પરંતુ આ તો તેમનાં પરાક્રમની ઝલક માત્ર છે; આપણે તો એનો મંદ રણકાર જ સાંભળીએ છીએ, પણ તેમના સામર્થ્યની ગર્જના કોણ જીરવી શકે?” યોબે ફરીથી પોતાનો સંવાદ જારી રાખતાં કહ્યું: “જીવંત ઈશ્વરના સોગંદ, તેમણે મારો હક્ક છીનવી લીધો છે, અને સર્વસમર્થે મારું દિલ દુભાવ્યું છે. જ્યાં સુધી મારા જીવમાં જીવ છે અને મારી નાસિકામાં ઈશ્વરદત્ત શ્વાસ ફૂંક્તો હશે, ત્યાં સુધી મારા હોઠ જૂઠાણું ઉચ્ચારશે નહિ, અને મારી જીભ કપટનો હરફ પણ ઉચ્ચારશે નહિ. ઈશ્વર એવું થવા ન દો કે હું તમને સાચા ઠરાવું, એથી ઊલટું, હું નિર્દોષ છું એવા મારા દાવાને મરતાં સુધી વળગી રહીશ. હું નિર્દોષ છું એ વાત પકડી રાખીશ અને તેને છોડી દઈશ નહિ, મારી જિંદગીમાં કોઈ દિવસ મારો અંતરાત્મા ડંખ્યો નથી. મારા શત્રુઓ દુર્જનનો અંજામ પામે, અને મારા વિરોધીઓ અપરાધીની સજા ભોગવે! ઈશ્વર અધર્મીનો અંત આણે, અને તેનો જીવ ઉઠાવી લે ત્યારે તેને માટે શી આશા હોય છે? તેના પર સંકટ તૂટી પડે, ત્યારે શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે? ત્યારે શું તે સર્વસમર્થમાં આનંદ માણશે અને ઈશ્વર પ્રત્યે પ્રાર્થના સર્વદા જારી રાખશે? હું તમને ઈશ્વરના સામર્થ્ય વિષે શીખવીશ, સર્વસમર્થની યોજના હું તમારાથી છુપાવીશ નહિ. સાચે જ તમે બધાએ ઈશ્વરનું કાર્ય નિહાળ્યું છે, છતાં તમે વાહિયાત વાત કેમ કરો છો?” “ઈશ્વર પાસેથી દુષ્ટોને આ પ્રમાણે બદલો મળે છે, અને સર્વસમર્થ પાસેથી જુલમગારો આ વારસો પામે છે: દુર્જનોની સંતતિ વધે તો પણ તે તલવારથી માર્યા જશે, અને તેમનાં સંતાનોને પેટભર ભોજન પણ મળશે નહિ. તેમના બાકી રહેલા વંશવારસો મરકીથી દટાશે, અને તેમની વિધવાઓ તેમને માટે વિલાપ કરશે નહિ. જો કે તેઓ ધૂળની જેમ ચાંદીના ઢગલા કરે, અને માટીની જેમ પોશાકોના ઢગ બનાવે. તોપણ નેક જનો જ તે પોશાકો પહેરશે, અને નિર્દોષ લોકો એ ચાંદી વહેંચી લેશે. દુષ્ટો ઘરો તો બાંધે પણ તે કરોળિયાનાં જાળાં જેવાં હશે, અને ચોકીદાર પોતાને માટે કામચલાઉ ઝૂંપડું બાધે તેવાં હશે. એ પથારીમાં સૂઈ જાય છે ત્યારે ધનવાન હોય છે, પણ તે એટલી જ વાર; કારણ, જ્યારે તે આંખ ઉઘાડે છે, ત્યારે બધું ધન લોપ થઈ ગયું હોય છે. દિવસે પૂરની પેઠે આતંક આવી પડે છે અને બધું લૂંટી જાય છે, અને રાત્રે વાવાઝોડું તેમનું ધન ચોરી જાય છે. પૂર્વનો વાયુ તેમને તેમનાં ઘરમાંથી ઉખાડી નાખશે, અને તેમને ઉઠાવીને દૂર દૂર ફેંકી દેશે. તે તેમને નિર્દય રીતે ફંગોળશે, અને તેના હાથમાંથી છટકવા તેઓ મરણિયા પ્રયત્નો કરશે. તે તેમની વિરુદ્ધ તાળી લેશે, અને પોતાના સ્થાનેથી તેમની સામે સુસવાટા મારે છે. “ચાંદી માટે ખાણ હોય છે, અને સોનાને શુદ્ધ કરવાની જગા હોય છે. લોખંડ જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને ખડકમાંથી તાંબુ ગાળવામાં આવે છે. માણસો અંધકારને ભેદે છે, તેઓ ઘોર અંધારી ખાણમાં છેક ઊંડે ઊતરીને પથ્થરો ખણી કાઢે છે. માનવવસવાટથી દૂર ખાણોમાં તેઓ ઊંડા બાકોરાં ખોદે છે; જ્યાં રાહદારીઓ ભૂલથીય જતા નથી, ત્યાં એકાંતમાં તેઓ દોરડાં પર લટકીને ઝૂલે છે. ધરતીમાંથી અન્‍ન ઊપજે છે, પણ તેના પેટાળમાં બધું અગ્નિમાં ખદબદે છે. ત્યાંથી જ કીમતી પથ્થરો અને નીલમણિ મળી આવે છે, અને તેની ધૂળમાં સોનું ભળેલું હોય છે. કોઈ શિકારી પક્ષી તે ખાણોનો માર્ગ જાણતું નથી, અને ગરૂડની નજરે પણ તે માર્ગ પડયો નથી. હિંસક પશુઓનાં પગલાં ત્યાં પડયાં નથી, અને સિંહ પણ ત્યાંથી પસાર થયો નથી. ચકમકના ખડકો પર માણસો હાથ અજમાવે છે, અને પહાડોને પણ પાયામાંથી ઉથલાવી નાખે છે. ખડકો કોતરીને તેઓ ભોંયરાં બનાવે છે અને તેમની આંખો મૂલ્યવાન રત્નો નિહાળે છે. તેઓ નદીઓનાં ઉગમસ્થાનો પણ શોધી કાઢે છે અને છુપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવે છે. *** પરંતુ જ્ઞાન! તે ક્યાંથી જડે, અને સમજશક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય? એ કેવું અપ્રાપ્ય છે તેની માણસને ખબર નથી, અને તે સજીવોની ભૂમિમાં જડતું નથી. પાતાળ કહે છે, ‘તે મારામાં ઉપલબ્ધ નથી’ અને સમુદ્ર કહે છે, ‘તે મારી પાસે પણ નથી.’ સોનાની લગડીઓના બદલામાં તે ખરીદી શકાય નહિ, ચાંદી જોખીને પણ એનું મૂલ્ય ચૂકવી શકાય નહિ. ઓફિરના વિશુદ્ધ સોનાથી પણ તે ખરીદી શકાય નહિ, કે મૂલ્યવાન ગોમેદ કે નીલમણિથી તેની કીમત થાય નહિ. તેની તુલના સુવર્ણ કે સ્ફટિક સાથે થઈ શકે નહિ, અને અતિ કીમતી સુવર્ણ અલંકારોના સાટામાં તે મળે નહિ. પરવાળાં અને સ્ફટીકમણિની વાત જ કરવી નહિ, કારણ, કીમતી માણેક કરતાં પણ જ્ઞાન અધિક મૂલ્યવાન છે. કૂશ દેશનો પોખરાજ મણિ તેની બરાબરી કરી શકે નહિ અને શુદ્ધ સુવર્ણથી તેની કીમત આંકી શકાય નહિ. એ જ્ઞાનનું ઉગમસ્થાન કયાં? અને સમજશક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય? કારણ, સર્વ સજીવોની આંખોથી તે છુપાયેલું છે, અને આકાશનાં પક્ષીઓથી પણ તે સંતાયેલું છે. અધોલોક અને મૃત્યુલોક કહે છે, ‘અમારા કાનોએ માત્ર તેની અફવા સાંભળી છે!’ કેવળ ઈશ્વર જ જ્ઞાન તરફ જતો માર્ગ જાણે છે અને તેમને જ તેના નિવાસસ્થાનની ખબર છે. કારણ, ઈશ્વર ધરતીના છેડા સુધી જોઈ શકે છે, અને આકાશ તળે સઘળાંને નિહાળે છે. જ્યારે ઈશ્વરે વાયુને વજન બક્ષ્યું, અને સાગરોની સીમા ઠરાવી; જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો, અને ગાજવીજનો માર્ગ નિર્ધારિત કર્યો; ત્યારે તેમણે જ્ઞાનને નિહાળ્યું અને તેની તુલના અને ચક્સણી કરીને તેને અનુમોદન આપ્યું. ઈશ્વરે માણસોને કહ્યું, ‘પ્રભુનો આદરપૂર્વક ભય રાખવો એ જ સાચું જ્ઞાન છે, દુષ્ટતાથી વિમુખ થવું તે જ સાચી સમજ છે.” યોબે ફરીથી પોતાનો સંવાદ જારી રાખતાં કહ્યું; “જે દિવસોમાં ઈશ્વર મારી સંભાળ લેતા હતા એ પ્રથમના સમયમાં હું જેવો હતો તેવો ફરીથી બની જાઉં તો કેવું સારું! ત્યારે તો તેમનો દીવો મારા માથા પર પ્રકાશતો હતો. હું અંધકારમાં થઈને ચાલતો ત્યારે તે મને પ્રકાશ આપતા. ત્યારે હું મારા જીવનની ચડતી દશામાં હતો અને ઈશ્વર મારા તંબૂની રક્ષા કરતા હતા. ત્યારે સર્વસમર્થ મારી સાથે હતા, અને મારાં સંતાનો મને વીંટળાયેલાં હતાં. મારાં પગથિયાં જાણે દૂધે ધોવાતાં અને ખડકોમાંથી તેલની ધારાઓ વહેતી. જ્યારે નગરના વડીલો ચોકમાં મળતા, અને હું ચોકમાં તેઓ વચ્ચે મારું સ્થાન લેતો; ત્યારે યુવાનો મને જોઈને માર્ગ આપતા, અને વૃદ્ધો આસન પરથી ઊભા થતા. આગેવાનો તેમની વાતચીત બંધ કરી દેતા, અને પોતાના મુખ પર હાથ મૂકીને મૌન થઈ જતા. અમીરો બોલતા બંધ થઈ જતા; તેમની જીભ તાળવે ચોંટી જતી. મારા વિષે સાંભળનારા મને ધન્યવાદ આપતા, અને મને જોનારા મારું સન્માન કરતા. કારણ, મેં રડતા ગરીબોને ઉગાર્યા હતા, અને અનાથ નિરાશ્રિતોને હું સહાય કરતો. વિનાશને આરે આવી ગયેલાં મારી મદદને લીધે મને આશિષ આપતા, અને વિધવાઓનાં દિલને હું હર્ષનાં ગીતોથી ભરી દેતો. મેં સદાચાર પહેરી લીધો હતો અને તેણે મને ઢાંકી દીધો હતો, મારી નેકી મારા ઝભ્ભા અને પાઘડી સમાન હતી. હું આંધળાની આંખો હતો, અને પાંગળાનો પગ હતો. હું કંગાલોને પિતાની ગરજ સારતો, અને અજાણ્યાઓની ગરજ જાણીને તેમને સહાય કરતો. હું નિર્દય માણસોનાં જડબાં તોડી નાખતો, અને તેમના દાંતમાંથી હું તેમનો શિકાર છોડાવતો. મેં તો ધારેલું કે મારી જિંદગીના દિવસો રેતીના કણ જેટલા અસંખ્ય હશે, અને હું મારા પરિવાર વચ્ચે મરણ પામીશ. પાણી સુધી જેનાં મૂળ પ્રસરેલાં હોય, અને જેની ડાળીઓ ઝાકળથી ભીંજાતી હોય તેવા વૃક્ષ જેવો હું હતો. મારી પ્રતિભા હમેશા તાજી રહેતી, અને મારા હાથમાંનું ધનુષ્ય બળવત્તર થતું હતું. ત્યારે લોકો મારી સલાહ ધ્યનથી સાંભળતા, મારો અભિપ્રાય જાણવા તેઓ ચૂપ રહેતા. મારું બોલવાનું પૂરું થયા પછી તેઓ આગળ બોલતા નહિ, અને મારી વાતો વરસાદના ટીંપાની જેમ સોંસરી ઊતરી જતી. તેઓ વરસાદની જેમ મારી વાટ જોતા, અને પાછલા વરસાદની જેમ મોં વકાસીને મારી આતુરતાથી રાહ જોતા. તેઓ હતાશ થઈ ગયા હોય ત્યારે હું તેમને મોં મલકાવીને ઉત્તેજન આપતો, અને મારો ખુશમિજાજી ચહેરો તેમને નિરાશાથી બચાવતો. હું તેમની સભામાં આગેવાન તરીકે બિરાજતો. રાજા પોતાના સૈન્યને દોરે તેમ હું તેમને દોરવણી આપતો, અને તેમની હતાશાના સમયમાં તેમને સાંત્વન આપતો. “પરંતુ હવે તો જેમના પિતાઓને હું ઘેટાંના ટોળાં સાચવનાર કૂતરા જેવા ઊતરતી કક્ષાના ગણતો તેવા વયમાં મારાથી નાના મારી ઠેકડી ઉડાવે છે. જે માણસોનો જુસ્સો ખતમ થઈ ગયો તેમના બાહુબળથી મને શો લાભ થાય? તેઓ તંગી અને ભૂખથી લેવાઈ ગયા હતા; અને ઉજ્જડ અને નિર્જન જગાઓમાં રાત્રે સૂકાં મૂળિયાં ચાવતા હતા. તેઓ રણના ઝાંખરા પરથી ખારાં પાંદડાં ચૂંટી ખાતા, અને તાપવા માટે મૂળિયાનો ઉપયોગ કરતા. તેઓ સમાજમાંથી હાંકી કઢાયેલા હતા અને ભાગતા ચોરની જેમ લોકો તેમની પાછળ બૂમો પાડતા હતા. તેઓ ઊંડાં કોતરોમાં, ગુફાઓમાં અને બખોલોમાં વાસ કરતા. તેઓ ઝાડીઓમાં પ્રાણીઓની જેમ ધૂરક્તા, અને ઝાંખરાંઓ નીચે ટોળે મળતા. તેઓ મૂર્ખોનાં સંતાન અને અધમોની ઓલાદ છે; તેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. પરંતુ હવે તેઓ મારી મજાકનાં ગીતો ગાય છે અને હું તેમને માટે કહેણીરૂપ બન્યો છું. તેઓ મારી ધૃણા કરે છે અને મને ટાળે છે, અરે, મને જોઈને તેઓ થૂંકે છે! ઈશ્વરે મને છૂટા દોરે સતાવ્યો છે, તેથી તેઓ મારી સામે બેફામ વર્તન કરે છે. મારે જમણે હાથે હુમલાખોરોની ટોળી ઊઠી છે, તેઓ મારા પગને આંટી મારી લથડાવે છે, અને મારા નાશના ઉપાયો કરે છે. નાશથી નાસી છૂટવાનો મારો માર્ગ તેઓ રૂંધે છે. તેઓ હુમલો કરે છે પણ કોઈ તેમને રોકનાર નથી. તેઓ પાળ તોડી નાખતા પૂર જેવા છે, અને ગાબડામાંથી ધસમસતા પાણીની જેમ મારા પર તૂટી પડે છે. આતંકે મને ઘેરી લીધો છે, મારી પ્રતિષ્ઠા પવનના સપાટે ઊડી ગઈ છે; અને મારી આબાદી વાદળની માફક લોપ થઈ છે. મારો પ્રાણ મારામાં ઓસરી રહ્યો છે, અને વિપત્તિના દિવસોએ મને જકડી લીધો છે. રાત્રે મારાં બધાં હાડકાં કળે છે, અને મારા સણકા થાક ખાતા નથી. તે ઝનૂનપૂર્વક મારાં વસ્ત્ર પકડીને ચીરી નાખે છે, અને મારો કોલર પકડીને ટૂંપો દે છે. તેમણે મને ક્દવમાં ફેંકી દીધો છે,અને હું ધૂળ અને રાખ જેવો બન્યો છું. હે ઈશ્વર, હું પોકારું છું, પણ તમે ઉત્તર દેતા નથી; હું તમારી સમક્ષ ઊભો થાઉં છું, પણ તમે મારી સામે તાકી રહો છો. તમે મારી સાથે નિર્દયતાથી વર્તો છો, તમારા બાહુબળથી તમે મને સંતાપો છો. તમે મને વાયુથી ઉઠાવીને તેના પર સવારી કરાવો છો, અને વાવાઝોડામાં આમતેમ ફંગોળો છો. મને ખબર છે કે તમે મને મૃત્યુલોકમાં, એટલે સઘળા સજીવોના અંતિમસ્થાન તરફ લઈ જાઓ છો. છતાં પડતો માણસ બચવા માટે પોતાનો હાથ લંબાવે નહિ? એની દુર્દશામાં તે મદદ માટે પોકાર નહિ પાડે? કોઈના માઠા દિવસો જોઈને શું મેં આંસુ સાર્યાં નહોતાં? અને કંગાલ માટે મારો પ્રાણ કકળી ઊઠયો નહોતો? મેં તો શુભની આશા સેવી હતી પણ અશુભ આવી પડયું! અને પ્રકાશની વાટ જોતો હતો પણ અંધકાર આવી પડયો! મારા અંતરમાં અસહ્ય ઉચાટ છે અને તેને જંપ નથી, મારે માટે તો દુ:ખના દહાડા આવી પડયા છે. સૂર્યથી નહિ, પણ વ્યાધિથી હું કાળો પડી ગયો છું, અને ભરી સભામાં ઊભો થઈ મદદ માટે યાચના કરું છું. હું જાણે શિયાળવાંનો ભાઈ અને શાહમૃગનો સાથીદાર થયો છું. મારી ત્વચા કાળી થઈ ખરી પડે છે, અને મારાં અસ્થિ તાવથી ધગધગે છે. મારી વીણા શોકના સૂરો અને મારી વાંસળી વિલાપના સ્વરો રેલાવે છે. મેં મારાં ચક્ષુ સાથે એક ગંભીર પ્રતિજ્ઞા કરી છે કે હું કોઈ કુમારિક્ તરફ વાસનાભરી નજરે જોઈશ નહિ. ઈશ્વર ઉપરથી માણસને શો હિસ્સો આપે? અને સર્વસમર્થ ઉચ્ચસ્થાનેથી શો વારસો આપે? શું દુરાચારીઓ માટે વિપત્તિ, અને અધર્મીઓ માટે આફત નથી? શું ઈશ્વર મારાં આચરણ જોતા નથી? અને મારાં સઘળાં પગલાં ગણતાં નથી? જો મેં ભ્રષ્ટ આચરણ કર્યું હોય, અને મારા પગ ઠગાઈ કરવા તરફ દોડયા હોય, તો અદલ ત્રાજવામાં હું ભલે તોળાઉં, અને ઈશ્વર મારી નિષ્ઠા ચક્સી જુએ. જો હું સન્માર્ગથી ભટકી ગયો હોઉં, અને મારું મન મારી આંખો પછવાડે રખડી ગયું હોય, જો મારા હાથ કલંક્તિ થયા હોય, તો હું વાવું, અને બીજા લણી ખાય, અને મારા છોડવા સમૂળગા ઉખેડી નંખાય. જો પરસ્ત્રી પ્રત્યે મારું દિલ લલચાયું હોય, અને પડોશીને બારણે સંતાઈને લાગ શોયો હોય, તો મારી પત્ની બીજાનાં દળણાં દળે, અને બીજાઓ તેને ભોગવે. કારણ, પરસ્ત્રીગમન એ તો અઘોર લંપટતા ગણાય અને ન્યાયચુકાદા દ્વારા સજા કરવા યોગ્ય દુષ્ટતા છે. કારણ, વ્યભિચાર તો વિનાશક નરકાગ્નિ છે; મારી સમસ્ત સમૃદ્ધિને બાળીને ભસ્મીભૂત કરી દે તેવો છે. જો મારાં દાસદાસીએ તેમના હક્ક વિષે ફરિયાદ કરી, ત્યારે મેં તેમની રજૂઆત ધૂત્કારી કાઢી હોય; તો જ્યારે ઈશ્વર મારી સામા ઊઠે ત્યારે હું શું કરું? અને મારી ઝડતી લે ત્યારે હું શો જવાબ આપું? મને ઉદરમાં ઘડનારે શું એ દાસદાસીઓને પણ ઘડયાં નથી? અને એક જ ઈશ્વરે અમને ગર્ભસ્થાનમાં ઉછેર્યાં નથી. જો મેં ગરીબોની જરૂરિયાત નકારી કાઢી હોય, અને વિધવાઓની આંખોને નિરાશ થવા દીધી હોય; અથવા હું એકલપેટો બન્યો હોઉં અને અનાથને મારા ભોજનમાંથી કંઈ હિસ્સો મળ્યો ન હોય; અરે, એથી ઊલટું, તો હું જુવાન હતો ત્યારથી અનાથને મારાં છોકરાંની જેમ ઉછેર્યાં છે, અને મેં મારા બાળપણથી જ વિધવાઓને માર્ગદર્શન આપ્યું છે! જો મેં કોઈ કંગાલને પહેરવાના વસ્ત્રના અભાવે, અને ગરીબને ઓઢવાનાં વસ્ત્ર વગર મરતો જોયો હોય; અને જો મારાં ઘેટાંના ઊનથી ગરમાવો મળવાને લીધે તેણે પૂરા દિલથી મને આશિષ ન દીધી હોય, નગરપંચમાં મારી વગને લીધે જો મેં અનાથ વિરુદ્ધ હાથ ઉગામ્યો હોય; તો મારો હાથ ખભામાંથી નીકળી પડો, અને મારું કાંડુ કપાઈ જાય. કારણ, ઈશ્વર તરફથી શિક્ષારૂપે આવતી આફતથી હું ડરતો હતો, અને તેમની પ્રતિભાના પ્રતાપને લીધે હું એવું કરી શક્તો નહોતો. જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય, અને વિશુદ્ધ સુવર્ણમાં સલામતી માની હોય; મારી પાસે અઢળક ધનદોલત હોવાને લીધે, તથા મારા હાથની કમાણીને લીધે હું તેમાં રાચ્યો હોઉં; જો મેં ઊગતા સૂર્યનાં, અથવા ચાંદનીમાં સરક્તા ચંદ્રનાં પૂજ્યભાવે દર્શન કર્યાં હોય, અને મારું મન તેમના તરફ છાનુંમાનું લોભાયું હોય, અને મારા હાથ જોડીને ભક્તિભાવે મસ્તક નમાવ્યું હોય, તો તે પણ સજાપાત્ર અપરાધ ગણાત. કારણ, એ તો સર્વોચ્ચ ઈશ્વર પ્રત્યેની નિષ્ઠાનો નકાર ગણાય. મેં મારા શત્રુઓની પડતીમાં આનંદ માણ્યો નથી, અને તેના પર વિપત્તિ આવી પડી ત્યારે હરખાયો નથી; કે તેમના મૃત્યુ માટે શાપ ઉચ્ચારવાનું પાપ મારે મુખે કર્યું નથી. ‘અરે, તેના ખોરાકથી આપણને તૃપ્તિ મળે તો કેવું સારું’ એવું મારા તંબૂમાંના માણસોમાંથી ક્યારેય કોઈ બોલ્યું નથી. કોઈ પ્રવાસીએ શેરીમાં રાતવાસો કર્યો નથી, કારણ, મુસાફરો માટે મારાં બારણાં ખુલ્લાં હતાં. મેં આદમની જેમ મારો અપરાધ છુપાવ્યો નથી, અને મારો દોષ મારા અંતરમાં સંતાડયો નથી. જો કે હુલ્લડખોરોના બૂમબરાડાનો મને ભય હતો, અને ધાંધલિયા સમુદાયની નફરતનો ડર હતો તો પણ હું કોઈ પ્રવાસી માણસને તેમની પાસે બહાર લાવ્યો નથી. કોઈ મારી દાદ સાંભળે તો કેવું સારું! આ મારી આખરી અરજ છે; સર્વસમર્થ મને ઉત્તર આપો! મારો પ્રતિવાદી મારા પરનું આરોપનામું લખીને આપે તો કેવું સારું! તો તો હું એ આરોપનામું મારી છાતી પર લટકાવું અને મારા મસ્તક પર મુગટની જેમ પહેરું! હું મારા પ્રત્યેક પગલાંનો હિસાબ તેમને આપત, અને એક ઉમરાવ તરીકે હું તેમની હજૂરમાં જાત. જો મારી ભૂમિએ મારી વિરુદ્ધ પોકાર કર્યો હોય, અને તેના ચાસોએ સાથે મળીને રુદન કર્યું હોય; જો તેની ઊપજ વળતર આપ્યા વગર ખાધી હોય, અને ભાગે ખેતી કરનારાઓને ભૂખે મરવા દીધા હોય; તો પછી ત્યાં ઘઉંને બદલે કાંટાઝાંખરા, અને જવને બદલે નકામા છોડ ઊગી નીકળો.” યોબનું વક્તવ્ય અહીં સમાપ્ત થાય છે. પોતાની દષ્ટિમાં પોતે નિર્દોષ છે, એ વાત યોબે પકડી રાખી. તેથી આ ત્રણ જણે વાર્તાલાપ બંધ કર્યો. પરંતુ રામ ગોત્રના, બારાકેલ બુઝીના પુત્ર એલીહૂનો ક્રોધ યોબ પર તપી ઊઠયો; કારણ કે યોબ ઈશ્વરને બદલે પોતાને નેક ઠરાવતો હતો. તે યોબના ત્રણ મિત્રો પર પણ ક્રોધિત થયો, કારણ કે, યોબ દોષિત છે એવું પ્રતિપાદિત કરવા છતાં તેઓ યોબની દલીલોનો કોઈ ઉત્તર આપી શક્યા નહોતા. પેલા ત્રણ પુરુષો એલીહૂથી વયમાં મોટા હોવાથી તેઓ બોલતા હતા ત્યાં સુધી તેણે રાહ જોઈ. પણ જ્યારે એલીહૂએ જોયું કે પેલા ત્રણ પુરુષો પાસે કોઈ ઉત્તર નથી. ત્યારે તેને ક્રોધ ચઢયો. તેથી બારાકેલ બૂઝીના પુત્ર એલીહૂએ ઉત્તર આપતાં કહ્યું: “હું વયમાં નાનો છું અને તમે વયોવૃદ્ધ છો તેથી હું શાંત રહ્યો, અને મારું મંતવ્ય જણાવતાં સંકોચ પામતો હતો.” મેં વિચાર્યું, ‘ભલે, વયોવૃદ્ધો બોલે અને વયમાં મોટાઓ જ્ઞાન શીખવે,’ પરંતુ ઈશ્વરનો આત્મા માણસમાં જ્ઞાન પ્રેરે છે, અને સર્વસમર્થનો શ્વાસ તેને સમજણ આપે છે. માત્ર વયમાં વૃદ્ધિ થવાથી જ જ્ઞાન આવતું નથી. તેથી હું કહું છું કે મારી વાત સાંભળો, અને મને મારો અભિપ્રાય પ્રગટ કરવા દો. મેં તમારાં ડહાપણભર્યાં કથનો ધ્યનથી સાંભળ્યાં હતાં, અને તમે દલીલો શોધતા હતા, ત્યારે મેં તમારા શબ્દોની રાહ જોઈ હતી. મેં યાનપૂર્વક તમારી વાત સાંભળી છે, પરંતુ તમારામાંથી કોઈએ યોબની દલીલોનું ખંડન કર્યું નથી અને યોબના શબ્દોનો પ્રત્યુત્તર આપી શક્યા નથી. કદાચ તમે કહેશો, ‘હવે અમને સમજ પડી છે; યોબને વિવાદમાં માણસ નહિ, પણ ઈશ્વર હરાવશે.’ યોબે મારી સાથે નહિ, પણ તમારી સાથે વિવાદ કર્યો છે, તો પણ મારો પ્રત્યુત્તર હું તમારા વક્તવ્યોને આધારે આપીશ નહિ. યોબ જો, તેઓ અવાકા થઈ ગયા છે, તેઓ પાસે ઉત્તર નથી. તેમની પાસે શબ્દો ખૂટી ગયા છે. તેઓ ત્યાં ઊભા છે પરંતુ તેમની પાસે કંઈ બોલવાનું રહ્યું નથી, તેઓ બોલતા બંધ થયા છે. છતાં ય શું મારે વાટ જોઈ બેસી રહેવું? હું મારો ઉત્તર રજૂ કરીશ, હું પણ મારો અભિપ્રાય પ્રગટ કરીશ. મારામાં શબ્દોનો ઊભરો ચડયો છે; જાણે મારું પેટ ફૂલીને ડમડોલ થઈ ગયું છે. બંધ પાત્રમાં આસવ રાખ્યો હોય એવું મારું મન છે; દ્રાક્ષારસની નવી મશક પણ ફાટી જાય એવું એ છે. મને નિરાંત થાય માટે મારે બોલવું જ રહ્યું; મારે મોં ઉઘાડીને ઉત્તર આપવો જ પડશે. હું કોઈ વ્યક્તિની તરફેણ કરીશ નહિ અને કોઈને ખુશામતના ખિતાબો આપીશ નહિ. કારણ, મને ખુશામત કરતાં આવડતું નથી; જો હું એમ કરું, તો ઈશ્વર મને તત્કાળ ઉઠાવી લે. “યોબ, હવે મારું નિવેદન સાંભળ, અને મારા બધા જ શબ્દો ધ્યાનમાં લે. જુઓ, હું મારું મુખ ઉઘાડું છું, અને મારી જીભ મારા મુખમાં બોલવા ઊપડી છે! મારા શબ્દો મારા મનની નિખાલસતા પ્રગટ કરશે, અને મારા હોઠો સચ્ચાઈથી જ્ઞાન પ્રગટ કરશે. ઈશ્વરના આત્માએ મને સર્જ્યો છે, અને સર્વસમર્થના શ્વાસે મને જીવન બક્ષ્યું છે. જો તારાથી બની શકે તો મને પ્રત્યુત્તર આપ; તૈયાર થા; તારી દલીલો ક્રમશ: રજૂ કર. ઈશ્વરની દષ્ટિમાં તું અને હું સમાન છીએ; હું પણ માટીમાંથી જ ઘડાયો છું! સાચે જ, મારો ડર રાખવાની કંઈ જરૂર નથી; હું તારા પર ભારે દબાણ કરવાનો નથી. તારી વાત મેં બરાબર સાંભળી છે; તારા શબ્દો મેં અક્ષરસ: સાંભળ્યા છે. તું કહે છે, ‘હું વિશુદ્ધ અને પાપરહિત છું; હું નિર્દોષ છું અને મારામાં કોઈ અપરાધ નથી. છતાં ઈશ્વર મારી વિરુદ્ધ બહાનું શોધે છે અને મને તેમનો શત્રુ ગણે છે. તે મારા પગને બેડીથી બાંધે છે, અને મારાં પગલાંની તપાસ રાખે છે.’ યોબ, મને કહેવા દે કે તારી વાત વાજબી નથી; ઈશ્વર માનવ કરતાં મહાન છે. ઈશ્વર તારા એકેએક પ્રશ્ર્નનો ઉત્તર આપતા નથી, એવું કહીને તું શા માટે તેમની સાથે વિવાદ કરે છે? કારણ, ઈશ્વર એક યા બીજી રીતે પ્રત્યુત્તર તો આપે છે, પરંતુ માણસો તે ગણકારતા નથી. મનુષ્યો ઊંઘમાં ઘેરાયા હોય, અને પથારી પર ઘસઘસાટ ઊંઘતા હોય ત્યારે ઈશ્વર સ્વપ્ન કે સંદર્શન દ્વારા વાત કરે છે; ત્યારે તે માણસના કાન ઉઘાડે છે, અને તેમને ચેતવણી દ્વારા ઘાક બેસાડે છે; જેથી ઈશ્વર માણસને ભૂંડાઈથી દૂર રાખે અને તેને અહંકાર કરતાં અટકાવે. જેથી તે તેનો આત્મા અધોલોકથી બચાવે, અને તેના જીવને તલવારના સંહારથી ઉગારે. વળી, ઈશ્વર આ રીતે ચેતવે છે: તે માણસને માંદગીના બિછાને પટકે છે; તેનાં હાડકાંમાં સતત કળતર થાય છે; તેને ખોરાક પ્રત્યે અરુચિ પેદા થાય છે, અને સ્વાદિષ્ટ વાનગી માટે પણ તેને નફરત થાય છે. તેના શરીર પરનું માંસ ગળી જાય છે અને દેખાતું જ નથી અને અગાઉ નહિ દેખાતાં હાડકાં ઊપસી આવે છે. તેનો પ્રાણ અધોલોકને આરે અને તેનું જીવન મૃત્યુલોકના વહેળા પાસે પહોંચી જાય છે. પરંતુ જો ઈશ્વરના હજારો દૂતોમાંથી એક દૂત તેના મયસ્થ તરીકે એની વહારે આવે અને માણસને માટે યથાયોગ્ય શું છે તે તેને સમજાવે, વળી, એ મયસ્થ દૂત તેના પર દયા દાખવે અને કહે, ‘એનું મુક્તિમૂલ્ય મને મળ્યું છે, માટે તેને વિનાશમાં જતો બચાવો,’ તો તેનું શરીર પુન: પુષ્ટ બનીને તાજગી પ્રાપ્ત કરશે, અને યુવાનીનો જુસ્સો પાછો આવશે. પછી માણસ ઈશ્વરને પ્રાર્થના કરે એટલે તે તેને સ્વીકારશે, માણસ ઈશ્વરની સંમુખ હર્ષોલ્લાસ કરશે, અને લોકો સમક્ષ પોતાના ઉદ્ધારની જાહેરાત કરશે. તે લોકો સમક્ષ ગાતાં ગાતાં કહેશે, ‘મેં પાપ કર્યું હતું અને હું આડે માર્ગે ગયો હતો, છતાં ઈશ્વરે મને એની સજા કરી નહિ; તેમણે મારા જીવને મોતમાંથી ઉગાર્યો, અને મારું જીવન અજવાળ્યું છે.’ આ બધું ઈશ્વર જ કરે છે; તે બે વાર, ત્રણ વાર, વારંવાર ચેતવણી આપે છે. જેથી તે માણસના જીવને મોતથી ઉગારે, અને તેના જીવનને પ્રકાશમય બનાવે. યોબ, મારી વાત સાંભળ, લક્ષ આપ; ચૂપ રહે અને મને બોલવા દે. છતાં તારે કંઈ કહેવાનું હોય તો કહે, બોલ, હું તને સાચો ઠરાવવા માગું છું. નહિ તો, ધ્યનથી મારી વાત સાંભળ, ચૂપ રહે, અને હું તને જ્ઞાન શીખવીશ.” એલીહૂએ પોતાનું નિવેદન જારી રાખ્યું. “હે શાણા લોકો, મારી વાત સાંભળો; હે અનુભવી જનો, મારા કહેવા તરફ કાન દઈને લક્ષ આપો. જેમ જીભનું ટેરવું ખોરાકનો સ્વાદ ચાખે છે, તેમ કાન શબ્દોને પારખે છે. ચાલો, આપણે સાચું શું છે તે શોધી કાઢીએ; સારું શું છે તે આપણે નક્કી કરીએ. કારણ, યોબ કહે છે, ‘હું નિર્દોષ છું, પણ ઈશ્વરે મારો હક્ક છીનવી લીધો છે; હું સાચો છું, છતાં મને જૂઠો ગણવામાં આવે છે; હું અપરાધી નથી, છતાં તેમના બાણથી મરણતોલ ઘવાયો છું.’ આ યોબ જેવો તો કોઈ માણસ હશે? તે પાણીની જેમ ઈશ્વરનિંદા ઘટઘટાવે છે! તે દુરાચારીઓના સંઘમાં જાય છે, અને દુષ્ટોની સાથે ભટકે છે. તે કહે છે, ‘ઈશ્વરમાં મગ્ન થવાથી માણસને કોઈ પ્રકારનો લાભ થતો નથી.’ તેથી હે સમજુ માણસો, મારી વાત સાંભળો; ‘ઈશ્વર દુષ્ટતા આચરે કે સર્વસમર્થ ખોટું કરે,’ એવું કથન તો અઘોર ઈશ્વરનિંદા કહેવાય. બલ્કે, ઈશ્વર તો માણસનાં કામ પ્રમાણે તેને ફળ આપે છે, અને તેનાં આચરણ પ્રમાણે તેને બદલો આપે છે. સાચે જ ઈશ્વર કદી દુષ્ટતા આચરે જ નહિ, અને સર્વસમર્થ ન્યાય ઊંધો વાળે જ નહિ. કોણે ઈશ્વરને પૃથ્વી પર અધિકાર સોંપ્યો છે? કોણે સકળ સૃષ્ટિની જવાબદારી તેમને સોંપી છે? જો ઈશ્વર મનમાં ધારે, અને તેમનો આત્મા અને તેમનો શ્વાસ પોતાની પાસે પાછો ખેંચી લે; તો સમગ્ર સજીવો એક સાથે નષ્ટ થઈ જાય, અને માનવજાત ધૂળ ભેગી થઈ જાય! તારામાં જરા ય સમજ હોય, તો મારી વાત સાંભળ; મારા શબ્દો કાને ધર. સચ્ચાઈને ધિક્કારનાર શું અધિકાર ભોગવી શકે? ભલભલાનો ન્યાય કરનાર ઈશ્વરને તું દોષપાત્ર ઠરાવે છે? શું કોઈ રાજાને ‘હરામખોર’ અને ઉમરાવોને ‘ગુનેગાર’ કહે છે? ઈશ્વર તો રાજવંશીઓની શરમ ભરતા નથી, અને ગરીબોને ભોગે ધનવાનોની તરફેણ કરતા નથી. કારણ, એ બધું જ તેમના હાથનું સર્જન છે. ઘણા લોકો મયરાત્રિએ એક ક્ષણમાં મૃત્યુ પામે છે, કેટલાકને આઘાત લાગે છે અને નષ્ટ થાય છે, અરે, બળવાનો પણ કોઈ માણસના માર્યા વિના મરી જાય છે. કારણ, ઈશ્વરની દષ્ટિ માણસની ચાલચલગત પર છે, અને તે તેના પ્રત્યેક પગલાની તપાસ રાખે છે. એવો કોઈ અંધકાર કે ઘેરી છાયા નથી જ્યાં દુરાચારીઓ પોતાને છુપાવી શકે. ઈશ્વરને માણસના ન્યાયચુકાદા માટે કોઈ સમય મુકરર કરવાની જરૂર નથી. તે જુલમગારોને તોડી પાડે, તે માટે તેમને તપાસ કરવી પડતી નથી; તે તેમને સ્થાને બીજાઓને સ્થાપન કરે છે. ઈશ્વર એમનાં કાર્યો જાણે છે, તેથી તે તેમને રાતોરાત ઉથલાવી નાખે છે અને તેઓ કચડાઈ જાય છે. તે તેમને ગુનેગારોની જેમ લોકોના દેખતાં જાહેરમાં ફટકારે છે. કારણ, તેમણે ઈશ્વરને અનુસરવાનું મૂકી દીધું, અને તેમનાથી વિમુખ થઈને તેમના માર્ગોની ઉપેક્ષા કરી. જુલમગારોએ ગરીબો પર એટલો જુલમ કર્યો કે તેમણે ઈશ્વરને પોકાર કર્યો, અને ઈશ્વરે પીડિતોની ફરિયાદ સાંભળી. ઈશ્વર એ વિષે કંઈ ન કરે તો ય એમની ટીકા કોણ કરી શકે? અથવા તે પોતાનું મુખ સંતાડે તો તેમને કોણ જોઈ શકે? કોઈ પ્રજા કે કોઈ વ્યક્તિની એવી મગદૂર નથી. લોકો અધર્મીઓને તેમના પર રાજ કરતા રોકી શક્તા નથી; તેઓ તેમને ફાંદામાં ફસાવનારાથી બચાવી શક્તા નથી. જો કોઈ ઈશ્વરને કહે કે, ‘હું બેફામપણે વર્ત્યો હતો પણ હવેથી ગુના કરીશ નહિ; જે હું પોતે સમજી શક્તો નથી તે મને શીખવો, જો મેં દુષ્ટતા આચરી હોય તો હવેથી એમ કરીશ નહિ.’ તો યોબ, માત્ર તારા જ વિરોધને લીધે ઈશ્વર તેને માફ નહિ કરે? હું નહિ, તું પોતે જ નક્કી કર; તું જે જાણતો હો તે પ્રગટ કર. સમજદાર માણસો મને કહેશે અને મારી વાત સાંભળનારા શાણા લોકો સહમત થશે કે, ‘યોબ જ્ઞાન વિના બોલે છે, અને તેના શબ્દો અર્થહીન છે.’ અરે, યોબની પૂરેપૂરી ઊલટતપાસ થાય તો કેવું સારું! કારણ, તે દુષ્ટની જેમ બોલ્યો છે. તે પોતાનાં પાપમાં વિદ્રોહ ઉમેરે છે, આપણી વચ્ચે અપરાધનો નકાર કરે છે, અને ઈશ્વર વિરુદ્ધ લાંબી લવરી કરે છે. એલીહૂએ સંવાદ જારી રાખતાં કહ્યું, “યોબ, તું કહે છે, ‘પાપ ન કરવાથી મને શો લાભ થયો? જો મેં પાપ કર્યું હોત તો મારી જે દશા થાત તેનાં કરતાં મારી અત્યારની દશા કઈ રીતે વિશેષ સારી છે?’ પણ તારી એ વિચારસરણી વાજબી છે? શું તું એમ ધારે છે કે તું ઈશ્વર કરતાં વધારે ન્યાયી છે? *** હું તને અને તારા મિત્રોને એનો જવાબ આપીશ. નજર ઊંચી કરીને આકાશ તરફ જો; તારી ઉપરનાં વાદળો કેટલાં બધાં ઊંચાં છે! જો તેં પાપ કર્યું હોય તો તું ઈશ્વરને શું નુક્સાન કરી શક્યો છે? વારંવાર અપરાધ કરીને તું એમનું શું બગાડવાનો છે? જો તું નેક હો તો તેથી ઈશ્વરને શો લાભ? અથવા તારા હાથથી તેમને શું પ્રાપ્ત થાય છે? તારી દુષ્ટતાથી તારા સાથી માનવને નુક્સાન થાય છે, અને તારા સદાચારથી તેને લાભ મળે છે. જુલમ વધી જવાને લીધે લોકો બૂમો પાડે છે, અને બળવાનોના જુલમને લીધે મદદ માટે પોકાર કરે છે. પરંતુ તેમાંથી કોઈ એમ કહેતું નથી કે, ‘મારા સર્જક ઈશ્વર ક્યાં છે?’ તે તો રાત્રે આનંદનાં ગીત ગવડાવે છે. તે પૃથ્વીનાં પ્રાણીઓ કરતાં આપણને વધારે શીખવે છે, અને આકાશનાં પંખીઓ કરતાં આપણને વધારે શાણા બનાવે છે.’ કેટલાક લોકો બૂમો પાડે છે પણ ઈશ્વર સાંભળતા નથી, કારણ, તેઓ અહંકારી અને દુષ્ટ છે. સાચે જ ઈશ્વર દંભીઓની બૂમ સાંભળતા નથી અને સર્વસમર્થ તે પર લક્ષ આપતા નથી. યોબ, તું તો એમ કહે છે કે ‘હું ઈશ્વરને જોઈ શક્તો નથી;’ તો પછી તારો દાવો તેમની સમક્ષ છે અને તું તેમની વાટ જુએ છે, એવું કેવી રીતે બની શકે? પણ ઈશ્વર પોતાના ક્રોધમાં શિક્ષા કરતા નથી, અને અપરાધને લેખવતા નથી, તેથી યોબ પોતાને મોઢે નિરર્થક વાતો કરે છે, અને જ્ઞાન વિના બકવાસ કરે છે!” પછી એલીહૂએ તેનો સંવાદ આગળ ચલાવ્યો; “થોડી ધીરજ રાખ, અને હું તને સમજાવીશ; કારણ, ઈશ્વરના પક્ષમાં મારે હજી કંઈક કહેવાનું છે. હું દૂરદૂરથી બહુવિધ જ્ઞાન સંપાદન કરીને મારા સર્જક ઈશ્વરને સાચા પુરવાર કરીશ. સાચે જ મારા શબ્દોમાં જૂઠ નથી; જ્ઞાનમાં પરિપકવ વ્યક્તિ તારી સામે છે. જુઓ, ઈશ્વર કેવા મહાન છે, પણ તે કોઈને તુચ્છકારતા નથી; તેમની સમજશક્તિ પણ ગહન છે! તે દુષ્ટોને જીવતા જવા દેતા નથી, પણ જુલમપીડિતોને તેમના હક્ક અપાવે છે. તે નેકજનો ઉપરથી પોતાની દષ્ટિ ઉઠાવી લેતા નથી, તે તેમને રાજાઓ સાથે રાજ્યાસન પર બેસાડે છે, અને તેમને હમેશા ઉચ્ચપદે રાખે છે. પરંતુ જો લોકો સાંકળોથી બંધાયેલા હોય, અને જુલમના બંધનમાં જકડાયા હોય, તો ઈશ્વર તેમને તેમના અપરાધો બતાવે છે, અને અહંકારથી કરેલાં તેમનાં પાપ જણાવે છે. તે તેમના કાન શિક્ષણ પ્રત્યે ઉઘાડે છે, અને તેમને દુષ્ટતાથી વિમુખ થવાની આજ્ઞા કરે છે. જો તેઓ ઈશ્વરનું માને અને તેમની સેવા કરે, તો તેઓ તેમની જિંદગી સમૃદ્ધિ અને સુખચેનમાં પૂરી કરે છે. પણ જો તેઓ ઈશ્વરનું ન સાંભળે તો તેઓ નાશને આરે આવી પડશે, અને જ્ઞાનના અભાવે મૃત્યુને ભેટશે. અધર્મીઓ મનમાં રોષ ભરી રાખે છે, અને ઈશ્વર તેમને શિક્ષા કરે તો પણ સહાય માટે પોકારતા નથી. તેઓ જુવાનીમાં જ મરણ પામે છે, અને વેશ્યાઓ પાછળ જિંદગી બરબાદ કરે છે. ઈશ્વર દુ:ખીઓનો ઉદ્ધાર તેમના દુ:ખ દ્વારા જ કરે છે, અને વિપત્તિ દ્વારા તેમને ચેતવણી આપે છે. યોબ, ઈશ્વરે તને સંકટમાંથી બહાર કાઢયો હતો, અને સંકડાશ વગરની વિશાળ જગામાં દોરી લાવ્યા હતા, અને તારી ભોજનની મેજને સ્વાદિષ્ટ વાનગીઓથી ભરી દીધું હતું. પણ તું તો દુષ્ટોને સજા થતી નથી એ વાતને વળગી રહ્યો છે, અને ઈન્સાફ તથા સજા નથી તે વિષે હઠ પકડી રાખે છે. જોજે, સમૃદ્ધિ તને ફોસલાવીને ભટકાવી ન દે, અને લાંચ તને લલચાવીને ભ્રષ્ટ બનાવી ન દે. કારણ, જ્યારે સંકટ આવી પડે ત્યારે તારી સમૃદ્ધિ કામમાં આવશે? તેં મેળવેલી ભેટસોગાદો તને ઉગારશે ખરી? જ્યારે પ્રજાઓનો પોતપોતાના સ્થાનમાંથી મૂલોચ્છેદ થઈ જાય, એવી ન્યાયશાસનની ભયાનક રાત્રિની ઝંખના કરશો નહિ. સાવધ થા, દુષ્ટતા તરફ પાછો ફરીશ નહિ. કારણ, તું ક્સોટીના દુ:ખને બદલે દુષ્ટતા તરફ ઢળે છે. ઈશ્વરનું સામર્થ્ય કેવું અપાર છે! તેમના જેવો શિક્ષક બીજો કોણ છે? તેમનું આચરણ કોણ ઠરાવી શકે? અને ‘તમે ખોટું કર્યું’ એમ તેમને કોણ કહી શકે? લોકો પણ જેનાં ગુણગાન ગાય છે તે ઈશ્વરનાં કાર્યોની પ્રશંસા કરવાનું યાદ રાખ. ઈશ્વરના કાર્ય પર સઘળા માણસો મીટ માંડે છે, પણ તેઓ તેને માત્ર દૂરથી નિહાળે છે. સાચે જ ઈશ્વર મહાન છે, પણ આપણે તેમનો પાર પામી શક્તા નથી, અને તેમનાં વર્ષોની સંખ્યા અગમ્ય છે. ઈશ્વર સાગરના જલબિંદુઓને વરાળરૂપે ઉપર ખેંચી લે છે, અને તેમને વાદળાંમાં વરસાદનાં ટીપાં બનાવે છે. તે વાદળાંમાંથી વરસાદ વરસાવે છે, અને ભૂમિ પર ધોધમાર વર્ષા થાય છે. ઈશ્વરના ગગનમંડળમાં વાદળોનું પ્રસારણ અને તેમાંની મેઘગર્જના કેવી રીતે થાય છે તે કોણ સમજી શકે? જુઓ, ઈશ્વર આકાશમાં વીજળી ચમકાવે છે, અને મહાસાગરોનાં તળિયાંને અંધકારથી છાઈ દે છે. વરસાદ અને વીજળીથી ઈશ્વર ન્યાયશાસન લાવે છે, અને તેમના દ્વારા મબલક ધાન્ય પણ પૂરું પાડે છે. તેમના હાથમાંથી વીજળી પ્રક્ટે છે અને તેને ધારેલા નિશાન પર પાડે છે. ઈશ્વર વીજળીના કડાકા દ્વારા તોફાનની આગાહી કરે છે, ઢોરને પણ એની ખબર પડી જાય છે! “એને લીધે મારું હૃદય કંપે છે, જાણે કે, તે તેના સ્થાનમાંથી ઊછળી પડશે! તેમનો ગરજતો અવાજ સાંભળો; તેમના મુખમાંથી નીકળતો ગડગડાટ સાંભળો. તે આખા આકાશમાં ચોમેર વીજળી ચમકાવે છે; એ વીજળી ધરતીના એક છેડાથી બીજા છેડા સુધી ફરી વળે છે. વીજળીના ચમકારા પછી તેનો કડાકો સંભળાય છે, તે પછી મોટો ગડગડાટ ચાલુ રહે છે. તેનો કડાકો સાંભળતાં જ માણસો ધ્રૂજી જાય છે. ઈશ્વરનો અવાજ અદ્‍ભુત રીતે ગર્જે છે, અને આપણે સમજી ન શકીએ એવાં મહાન કાર્યો કરે છે. તે હિમને આજ્ઞા કરે છે, ‘ભૂમિ પર પડ’ અને મુશળધાર વરસાદને કહે છે, ‘પૃથ્વી પર ધોધમાર તૂટી પડ.’ સર્વ મનુષ્યોને ઈશ્વરની કાર્યશક્તિની પ્રતીતિ થાય તે માટે તે પ્રત્યેક માનવી પ્રવૃત્તિ સ્થગિત કરી દે છે. ત્યારે જંગલી પશુઓ તેમની બોડમાં ભરાઈ જાય છે, અને તેમની ગુફાઓમાં આશરો લે છે. દક્ષિણ દિશામાંથી તોફાની ઝંઝાવાત આવે છે, અને ઉત્તરના પવનો ક્તિલ ઠંડી લાવે છે. ઈશ્વરના શ્વાસથી હિમ વરસે છે, અને મહાસાગરોનાં પાણી ઠરી જાય છે. તે ઘાડાં વાદળોને ભેજથી તર કરી દે છે અને વાદળાંમાંથી વીજળી પ્રસારે છે, એ વીજળી ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચોમેર ચમકે છે; અને ઈશ્વરના આદેશ મુજબ તે પૃથ્વીના પટ પરની માનવવસાહત પર ત્રાટકે છે. ઈશ્વર શિક્ષા કરવા અથવા કૃપા દર્શાવવા તેને ધારેલે સ્થાને તાકે છે. હે યોબ, આ વાત સાંભળ; શાંતિથી ઈશ્વરનાં અજાયબ કાર્યોનો વિચાર કર. ઈશ્વર કુદરતી તત્ત્વો પર કઈ રીતે તેમનો આદેશ લાદે છે, અને વાદળોમાં વીજ ચમકાવે છે એ શું તું જાણે છે? ઈશ્વર વાદળોને કઈ રીતે સમતોલનમાં રાખે છે એની તને ખબર છે? જ્ઞાનમાં સંપૂર્ણ ઈશ્વર એવાં અજાયબ કાર્યો કરે છે. દક્ષિણના પવનને લીધે જ્યારે વાતાવરણ સ્તબ્ધ થઈ જાય, ત્યારે તારાં વસ્ત્રો પણ ગરમ થઈ જાય છે. ઈશ્વરની જેમ તું પણ ગાળેલી ધાતુના ચમકદાર અરીસાના જેવું મજબૂત આકાશ પ્રસારી શકે ખરો? ઈશ્વરને શું કહેવું તે તું અમને શીખવ; કારણ, જ્ઞાનના અભાવે કેવી દલીલ કરવી તે અમને સૂઝતું નથી. શું ઈશ્વરને એમ કહી શકાય કે, ‘મારે બોલવું છે?’ એવું ઇચ્છીને કોઈ માણસ પોતાનો નાશ નોતરે? પવનથી વાદળો ઢસડાઈ જતાં આકાશ નિરભ્ર બને છે, ત્યારે તેના ઝળહળતા પ્રકાશ તરફ માણસો જોઈ શક્તા નથી. ઉત્તરમાંથી સોનેરી પ્રકાશ પ્રસરે છે. ઈશ્વર ભયાવહ ગૌરવથી આભૂષિત છે. સર્વસમર્થ તો મહા પરાક્રમી છે; આપણે તેમનો પાર પામી શક્તા નથી. તેમની પાસે અદલ ઈન્સાફ અને નેકી છે અને તે જુલમ કરતા નથી. તેથી મર્ત્ય મનુષ્ય તેમનો આદરયુક્ત ભય રાખે છે, પણ જ્ઞાની હોવાનો દાવો કરનારની ઈશ્વર ઉપેક્ષા કરે છે.” ત્યારે પ્રભુએ વંટોળમાંથી યોબને પ્રત્યુત્તર આપતાં કહ્યું, “જ્ઞાનવિહોણી વાતો વડે મારા દૈવી પ્રબંધને ઢાંકી દેનાર આ કોણ છે? હવે કમર કાસીને મરદની જેમ ઊભો થા, અને મારા પ્રશ્ર્નોના ઉત્તર આપ. જો તને સમજણ હોય તો મને કહે કે, મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? તને ખ્યાલ હોય તો કહે કે તેના પાયાનાં માપ કોણે નક્કી કર્યાં હતાં? કોણે માપવાની દોરીથી માપ લીધું હતું? પૃથ્વીના પાયાની કૂંભીઓ શાના પર જડવામાં આવી હતી? અને તેની કમાનની આધારશિલા કોણે ગોઠવી હતી? સર્જનની સવારે તારાઓએ સમૂહગાન ગાયું અને સ્વર્ગદૂતોએ હર્ષનાદ કર્યો ત્યારે તું ક્યાં હતો? સમુદ્રનો જન્મ થતાં તે બહાર ધસી આવ્યો ત્યારે દરવાજા બંધ કરીને તેને કોણે પૂરી દીધો હતો? મેં જ સમુદ્રને વાદળાંનું વસ્ત્ર ઓઢાડયું હતું, અને તેને ગાઢ ધૂમ્મસનાં લૂગડાંમાં લપેટયો હતો. મેં જ સમુદ્રની હદ મુકરર કરી હતી, અને તેને માટે દરવાજા અને આડશો ઊભાં કર્યાં હતાં. મેં તેને આજ્ઞા આપી, ‘તું અહીં સુધી જ આવી શકે, એથી આગળ નહિ; તારાં પ્રચંડ મોજાં અહીં જ અટકી જવાં જોઈએ.’ યોબ, તારા જીવનમાં તેં ક્યારે ય ઉષાને ઊગવાની આજ્ઞા આપી છે, અથવા પ્રભાતે ક્યાં ઊગવું તે તેં ઠરાવ્યું છે? કે જેથી પ્રભાત પૃથ્વી પરથી અંધકારનો અંચળો ખેંચી લે, અને દુષ્ટ નિશાચરોને ભગાડીને વિખેરી નાખે? માટી પર મુદ્રાની છાપ ઊપસે તેમ પ્રભાતનો પ્રકાશ પૃથ્વીને તાદશ્ય કરે છે; તે બદલેલાં વસ્ત્રની જેમ દીપી ઊઠે છે. દુષ્ટોને અનુકૂળ અંધકારથી વંચિત રખાય છે, અને ગર્વિષ્ટોના હિંસાત્મક હાથ હેઠા પડે છે. શું તું સમુદ્રના ઊંડાણમાં આવેલા ઝરાઓના ઉદ્ગમસ્થાનમાં પ્રવેશ્યો છે? અને તું અધોલોકના તળિયા પર ફરી વળ્યો છે? શું મૃત્યુલોકનાં દ્વાર કોઈએ તને બતાવ્યાં છે? કે અંધકારપ્રદેશનું પ્રાંગણ તેં જોયું છે? તેં કદી પૃથ્વીનો વ્યાપ એક નજરે નિહાળ્યો છે? જો તું આ બધું જાણતો હોય તો મને જણાવ. પ્રકાશના ઉદ્ગમસ્થાનનો માર્ગ ક્યાં છે? અંધકારનું રહેઠાણ ક્યાં છે? એમણે ક્યાં સુધી પ્રસરવું એની તને ખબર છે? એમણે પોતાના નિવાસસ્થાને કયા માર્ગે પાછા વળવું તે તું જાણે છે? તને તો જાણ હોવી જોઈએ. કારણ કે તું તો સૃષ્ટિના સર્જન સમયે જન્મ્યો હતો! અને તું તો એટલો વયધર છે ને! “શું તેં હિમના ભંડારોની મુલાકાત લીધી છે? અથવા કરાના ભંડારો જોયા છે? હું તેમને વિપત્તિના સમયો માટે તેમજ આક્રમણ અને યુદ્ધના દિવસ માટે સંઘરી રાખું છું! પ્રકાશ કેવી રીતે પ્રસરે છે? પૂર્વના વાયુનું ઉદ્ગમસ્થાન ક્યાં છે? મુશળધાર વરસાદના માર્ગ માટે નહેરો કોણે ખોદી છે? ગરજતી વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે? કે જેથી નિર્જન ભૂમિ પર, અને વસતીહીન રણપ્રદેશ પર વરસાદ વરસે; તથા સૂકી અને તરસી ભૂમિ તૃપ્ત થાય, અને ભૂમિ લીલું ઘાસ ઉગાડે? શું વરસાદને પિતા છે? અથવા ઝાકળનાં ટીંપાં કોણે જનમાવ્યાં છે? કોના ગર્ભસ્થાનમાંથી હિમ જન્મે છે? અને કરાને જન્મ આપનાર કોણ છે? ક્યારે પાણી થીજીને પથ્થર સમ બની જાય છે અને સમુદ્રની સપાટી થીજી જાય છે? શું તું કૃતિકા નક્ષત્રને સાંકળે બાંધી શકે? શું તું મૃગશીર્ષના બંધ છોડી શકે? શું તું રાશિચક્રને ઋતુ પ્રમાણે દોરી શકે? અને સપ્તર્ષિને તેના તારામંડળ સહિત માર્ગદર્શન આપી શકે? અવકાશી પદાર્થોનું નિયમન કરતા સિદ્ધાંત શું તું જાણે છે? શું ઈશ્વરના નિયમને તું પૃથ્વી પર લાગુ પાડી શકે? શું તું વાદળાં સુધી તારો અવાજ પહોંચાડી શકે? અને તેમને ધોધમાર વરસાદ વરસાવવાની આજ્ઞા કરી શકે? શું તું વીજળીને ચમકવાની આજ્ઞા કરી શકે, અને તે પણ તને કહે કે, ‘હું અહીં છું?’ ‘ટૂહોથ’*ને જ્ઞાન કોણે આપ્યું છે? ‘સેકવી’ ને સૂઝ કોણે આપી છે? પોતાના ડહાપણથી કોઈ વાદળાંની ગણતરી કરી શકે? અથવા વરસાદ માટે આકાશી મશકો નમાવી શકે? કે જેથી ધૂળનો ક્દવ થઈ જાય, અને ઢેફાં એકમેકની સાથે સજ્જડ ચોંટી જાય? જ્યારે સિંહણનાં બચ્ચાં બોડમાં પડયાં હોય, અને શિકારની વાટ જોતાં ગુફામાં છૂપાયાં હોય, ત્યારે શું તું સિંહણ માટે શિકાર શોધી શકે,અને તેનાં બચ્ચાંની ભૂખ સંતોષી શકે? *** જ્યારે કાગડાનાં બચ્ચાં ઈશ્વર સમક્ષ ખોરાક માટે પોકાર કરે અને કાગડા ખોરાક શોધવા આમતેમ ઊડતા હોય, ત્યારે કોણ તેમને શિકાર પૂરો પાડે છે? પહાડોની જંગલી બકરીઓના વિયાવાનો સમય શું તું જાણે છે? અને હરણીઓને વિયાતાં જોઈ છે? તેમના ગર્ભધારણના મહિનાની સંખ્યા તને ખબર છે? અને તેમના જણવાના સમયની તને માહિતી છે? તેઓ વાંકી વળીને ગર્ભ પર દબાણ લાવે છે અને બચ્ચાંને જમીન પર ધકેલે છે. તેમનાં બચ્ચાં ખુલ્લામાં વૃદ્ધિ પામીને મજબૂત બને છે. પછી બચ્ચાં સ્વતંત્ર થઈ જાય છે અને પાછાં ફરતાં નથી. કોણે જંગલી ગધેડાંને છૂટાં મૂક્યાં છે? કોણે ઝડપી ગધેડાનાં બંધન છોડી નાખ્યાં છે? મેં તેનું રહેઠાણ રણમાં આપ્યું છે, અને તેમને ખારાપાટો પર વસાવ્યાં છે. તેને શહેરની ધાંધલધમાલ ગમતી નથી, અને તેને હાંકનારની બૂમો સાંભળવી પડતી નથી. ટેકરીઓનાં ગૌચરો પર તે ચરે છે. અને કોઈ ને કોઈ લીલા છોડની શોધમાં ભટકે છે. શું જંગલી સાંઢ તારું કામ કરવા રાજી થશે? શું તે તારી કોઢમાં રહેવા તૈયાર થશે? શું તું તેને અછોડાથી બાંધીને ચાસમાં ચલાવી શકે? અને શું તે તારી પાછળ રાંપ કાઢવા તૈયાર થશે? તેની પ્રચંડ શક્તિ પર શું તું આધાર રાખી શકે? અને તારું ભારે કામ શું તેની પાસે કરાવી શકીશ? તે તારે ઘેર ગાડું ખેંચી લાવે, અને તારા ખળાનું અનાજ ભરી લાવે એવો ભરોસો રાખીશ? શાહમૃગ તેની પાંખો ઝડપથી ફફડાવે છે, પણ તેની પાંખોને વધારે પીંછાં હોતાં નથી. તે પોતાનાં ઈંડાં જમીન પર મૂકે છે, અને તે ધૂળમાં ગરમીથી સેવાય છે. કોઈકના પગ નીચે ઈંડાં છુંદાઈ જશે, અથવા કોઈ જંગલી જનાવર તેમને ખૂંદી વળશે એની તેને દરકાર નથી. તે તેનાં બચ્ચાં પારકાં હોય તેમ નિષ્ઠુરતાથી વર્તે છે. પ્રજનનનો શ્રમ નિષ્ફળ જશે એવી તેને બીક નથી. કારણ, ઈશ્વરે જ તેને અક્કલ આપી નથી, અને તેને સમજણ ફાળવી નથી. પણ જ્યારે તે દોડવાનું શરૂ કરે, ત્યારે તે ઘોડેસ્વારને પાછળ પાડી દે છે. યોબ, શું ઘોડાને તેં બળ આપ્યું છે? કે તેની ડોક પર ભવ્ય કેશવાળી તેં પહેરાવી છે? શું તેં અશ્વને તીડની પેઠે કૂદવાની શક્તિ આપી છે, અને તેનો હણહણાટ કેવો પ્રતાપી અને ભયાનક હોય છે! તે આનંદમાં કૂદે છે અને ખીણપ્રદેશમાં તેની ખરીનાં ઊંડાં પગલાં પડે છે, અને તે શસ્ત્રસજ્જ માણસો તરફ ઘસી જાય છે. તે ભયને હસી કાઢે છે અને નિર્ભયતાથી આગળ વધે છે અને તરવાર જોઈને પીછેહઠ કરતો નથી. તેની પીઠ પર બાણના ભાથાનો ખણખણાટ છે, અને ભાલાઓ તથા બરછીઓ ચમકે છે. તે જુસ્સામાં અને પૂરજોશ છલાંગો ભરી અંતર કાપે છે, રણશિંગડું ફુંક્ય ત્યારે તેને ઝાલી રાખી શક્તો નથી. રણશિંગડું વાગે ત્યારે તે જુસ્સાથી હણહણે છે, સેનાનાયકોના હોંકારા અને પડકારો અને ચાલી રહેલી લડાઈની તેને દૂરથી જ ગંધ આવે છે. શું બાજપક્ષી તારા ડહાપણથી ઊંચે ઊડે છે, અને પોતાની પાંખો દક્ષિણ દિશા તરફ ફેલાવે છે? શું તારી આજ્ઞાથી ગરૂડ ઊંચે ચડે છે, અને ઊંચાણોમાં પોતાનો માળો બાંધે છે? તે ખડકો પર વસે છે અને વિહરે છે, અને ઊંચી ભેખડને પોતાનો ગઢ બનાવે છે. ત્યાંથી તે પોતાના શિકારની તપાસ કરે છે; દૂરથી તેની આંખો તેને જોઈ લે છે. જ્યાં મૃતદેહો હોય ત્યાં ગીધડાં એકઠાં થાય છે, અને તેમનાં બચ્ચાં લોહી ચૂસે છે.” પ્રભુએ યોબને પ્રત્યુત્તર આપતાં કહ્યું: “સર્વસમર્થ પર દોષ મૂકનાર હવે વિવાદ કરવા માગે છે? ઈશ્વર સાથે વિવાદમાં ઊતરનાર શું હવે ઉત્તર આપશે?” ત્યારે યોબે પ્રભુને પ્રત્યુત્તર આપતાં કહ્યું કે, “પ્રભુ, મારી શી વિસાત કે હું તમને ઉત્તર આપું? મારા મુખ પર હાથ મૂકીને હું મૌન ધારણ કરું છું. એક વાર બોલ્યો, પણ હવે બોલીશ નહિ; બે વાર બોલ્યો છું, પણ હવે આગળ જરાય બોલીશ નહિ.” તે પછી પ્રભુએ યોબને વંટોળમાંથી પ્રત્યુત્તર આપતાં કહ્યું: “હવે કમર કાસીને મરદની જેમ ઊભો થા, અને મારા પ્રશ્ર્નોનો ઉત્તર આપ. મારા ચુકાદાને શું તું નકામો ઠરાવીશ? પોતાને નેક ઠરાવવા શું તું મને દોષિત ઠરાવીશ? શું તારી પાસે ઈશ્વરના જેવા બળવાન ભુજ છે? શું તેમના સાદ જેવી ગર્જના તું કરી શકે છે? જો એમ હોય તો ભવ્યતા અને મહત્તાથી સજ્જ થા, તથા ગૌરવ અને પ્રતાપ ધારણ કર. ઈશ્વરની જેમ તારા કોપનો ઊભરો ઠાલવ, અને દરેક અહંકારી જન તરફ આંખ કાઢીને તેને નમાવી દે. પ્રત્યેક ગર્વિષ્ઠને તું પાડી નાખ, દુષ્ટો જ્યાં ઊભા હોય ત્યાં જ તેમને કચડી નાખ. બધા દુષ્ટોને તું ધૂળમાં દાટી દે, અને મૃત્યુલોક શેઓલમાં તેમનાં મુખ ઢાંકી દે. ત્યારે હું તારે વિષે કબૂલ કરીશ કે તારા જમણા હાથે તને વિજય અપાવ્યો છે.” બહેમોથ (અથવા હિપોપોટેમસ) “વિશાળ બહેમોથને નિહાળ, તારી જેમ તેને પણ મેં જ સર્જ્યો છે; તે બળદની માફક ઘાસ ખાય છે. જો તેની કમરમાં કેવી પ્રચંડ શક્તિ છે, અને તેના પેટના સ્નાયુઓમાં કેવું બળ છે! તે તેની પૂંછડી ગંધતરુ સમાન ટટાર બનાવે છે, અને તેની જાંઘના સ્નાયુઓ એકબીજા સાથે ગુંથાયેલા હોય છે. તેનાં હાડકાં તાંબાની નળી જેવાં મજબૂત છે, અને તેની પાંસળીઓ લોખંડના પાટા જેવી સખત છે. ઈશ્વરની કૃતિઓમાં તે અગ્રિમ છે, માત્ર તેના સર્જક તેના પર તલવાર ચલાવી શકે. જ્યાં સર્વ રાની પશુઓ રાચે છે તેવા પર્વતો પર તેને માટે ખોરાક ઊપજે છે. તે કાંટાળા ઝેલવૃક્ષની ઝાડીમાં અને ભેજવાળી જગાઓમાં ઊગેલા બરૂઓમાં પડી રહે છે. ઝેલવૃક્ષની ઝાડીનો છાંયો તેને ઢાંકે છે, અને ઝરણા પાસે ઊગેલા વેલા તેને વીંટળાઈ વળે છે. નદીનાં તોફાની વમળોથી તે ગભરાતો નથી, અને યર્દન નદીનાં પૂર તેના મોં સુધી પહોંચે તોપણ તે નિશ્ર્વિંત રહે છે. તેની નજર ચુકાવીને તેને કોણ પકડી શકે? અથવા કોણ તેના નાકમાં ગલ પરોવી શકે? શું તું લેવિયાથાનને ગલથી ખેંચી કાઢી શકે? અથવા તેની જીભને દોરીથી બાંધી શકે? શું તું તેનું નાક દોરડાથી નાથી શકે? કે તેના જડબાને આંકડાથી વીંધી શકે? શું તે તારાથી છૂટવા તને કરગરશે? અથવા શું તે મીઠી મીઠી વાતોથી તને ખુશ કરશે? શું તે તારો કાયમનો ગુલામ થઈ તારી સાથે રહેવા કરાર કરશે? શું તું તેને પક્ષીની જેમ રમાડી શકે? અથવા તારી કુમારિકાઓ માટે તેને લગામ પહેરાવશે? શું વેપારીઓ તેને માટે સોદાબાજી કરશે? અને માછીમારો વેચાણ કરવા તેના ટુકડા કરશે? શું તું તેનાં ભીંગડાને કાંટાળા ભાલાથી અને તેના મસ્તકને ભાલાથી વીંધી શકે? એક વાર એને અડકી તો જો; પછી જે યુદ્ધ મચે તેને યાદ કરીને તું ક્યારેય ફરી એવું નહિ કરે. એને કબજે કરવાની આશા વ્યર્થ છે. એને જોઈને જ કોઈ ઢળી પડતો નથી? કોઈ તેને છંછેડે ત્યારે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, કોઈની મગદૂર છે કે તેની સામે ઊભો રહે? તેના પર હુમલો કરીને કોણ સલામત રહી શકે? આખા આભ નીચે એવું કોઈ છે? તેનાં અંગઉપાંગો, તેના અજાયબ બળની વાત, અને તેની સુડોળ ક્યા વિષે કહેતાં હું ખચકાઈશ નહિ. તેનું ઉપલું પડ કોણ ઉતરડી શકે? અને તેના બેવડા બખ્તરને કોણ વીંધી શકે? તેના જડબાનાં દ્વાર કોણ ઉઘાડી શકે? તેના મુખમાં ચારે બાજુ ભયાનક દાંત છે. તેની પીઠ તો ઢાલ જેવાં ભીંગડાંની બનેલી છે, અને તેનાં ભીંગડાં એકબીજા સાથે સજ્જડ ચોંટેલાં છે. તેઓ એકબીજા સાથે એવી ઘનિષ્ઠતાથી જોડાયેલાં છે કે તેમની વચ્ચે હવા જાય તેટલો ય અવકાશ નથી. તેઓ એકબીજા સાથે એવી સખત રીતે ભીડાયેલાં છે, કે તેઓ એકબીજાને જકડી રાખે છે અને છૂટાં પાડી શકાય નહિ. તેનાં નસકોરાંની છીંકથી વીજળી ચમકે છે, અને તેની આંખો પ્રભાતના સૂર્ય જેવી તગતગે છે. તેના મુખમાંથી અગ્નિજ્વાળા ભભૂકે છે, અને અગ્નિના તણખાનો ફૂવારો વછૂટે છે. ઉકળતા પાત્રમાંથી નીકળતી વરાળ અને બળતા લાકડાંમાંથી નીકળતા ધૂમાડાની જેમ તેનો ઉષ્ણ શ્વાસ ફૂંક્ય છે. તેના શ્વાસથી કોયલા સળગી ઊઠે છે, અને તેના મુખમાંથી ભડકા નીકળે છે. તેનું બળ તેની ગરદનમાં છે, અને તેની આગળ આતંક વ્યાપે છે. તેના શરીરની ઘડીઓ એકબીજાને ચોંટેલી છે, અને તેનાં હાડકાં પર ખસેડી ન શકાય તેમ જડેલી છે. તેનું હૃદય કાઢમીંઢ પથ્થર જેવું કઠણ હોય છે; અરે, ઘંટીના નીચલા પડ જેવું દઢ હોય છે. તેના આતંક સામે બળવાનો ભયભીત થાય છે, અને બેબાકળા થઈને ભોંય ભેગા થાય છે. કોઈ તેને તલવારનો ઝટકો મારે તો તેને કંઈ અસર થતી નથી; તેમજ ભાલો, બાણ કે બરછી - કોઈ શસ્ત્ર તેને ઈજા કરી શકશે નહિ. લોખંડ તેને માટે પરાળ જેવું તકલાદી, અને તાંબુ તેને માટે સડેલા લાકડા જેવું નરમ છે. કોઈ બાણ તેને નસાડી શકતું નથી, ગોફણથી ફેંકેલા પથ્થરો તેને માટે ભૂંસા જેવા બની જાય છે. ડાંગોને પણ તે લાકડાના છોલ જેવી નબળી ગણે છે, અને ભાલાઓના ખણખણાટને તે હસી કાઢે છે. તેના પેટ પરનાં ભીંગડાં અણીદાર ઠીકરાં જેવાં છે; ક્દવની ઉપર તે અનાજ મસળવાના યંત્રની જેમ વિચરે છે. તે ઊંડાં પાણીને હાલ્લાંની જેમ ઉકાળે છે, અને દરિયાને ડહોળે છે. તે પોતાની પાછળ પ્રકાશિત શેરડા પાડે છે, અને પાતાળનાં પાણી સફેદ ફીણવાળાં કરી નાખે છે. આ પૃથ્વી પર તેના જેવું કોઈ અન્ય પ્રાણી નથી, તેના સરખું નિર્ભય પ્રાણી બીજું એકેય નથી. ગર્વિષ્ઠમાં ગર્વિષ્ઠ પ્રાણીઓને પણ તે હલકાં ગણે છે, તે સઘળાં જંગલી પ્રાણીઓનો રાજા છે.” તે પછી યોબે પ્રભુને પ્રત્યુત્તર આપતાં કહ્યું, “પ્રભુ, હું કબૂલ કરું છું કે તમે સર્વશક્તિમાન છો! તમારા ઈરાદાને કોઈથી અવરોધી શકાય નહિ. ‘અબુધપણામાં મારા દૈવી પ્રબંધને ઢાંકી દેનાર આ કોણ છે?’ એવું તમે જે પૂછયું તે સાચું છે. કારણ, તેથી તો હું સમજતો નહોતો તેવી બાબતો વિષે બોલ્યો; એ બાબતો એવી અદ્‍ભુત છે કે હું તે સમજી શક્યો નહિ. પ્રભુ, તમે એવું પણ કહ્યું કે, ‘સાંભળ અને મને બોલવા દે, મારા પ્રશ્ર્નોનો ઉત્તર આપ.’ મેં તો મારે કાને તમારા વિષે બીજાઓ પાસેથી સાંભળ્યું હતું, પણ હવે મારી આંખે તમને રૂબરૂ નિહાળું છું. તેથી મારા શબ્દોને લીધે મને મારા પર નફરત થાય છે, અને ધૂળ તથા રાખમાં બેસીને શોક કરું છું.” યોબ સાથે સંવાદ પૂરો કર્યા પછી પ્રભુએ એલિફાઝ તેમાનીને કહ્યું, “તારા પર અને તારા બે મિત્રો પર મને ક્રોધ ચઢયો છે; કારણ, તમે મારા સેવક યોબની જેમ મારે વિષે સાચું બોલ્યા નથી. તેથી હવે સાત આખલા અને સાત ઘેટા લઈને યોબ પાસે જાઓ અને તમારા તરફથી તેમને દહનબલિ તરીકે ચડાવો. પછી મારો ભક્ત યોબ તમારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ અને તમારી સાથે તમારી મૂર્ખતા પ્રમાણે વર્તીશ નહિ. કારણ, મારા ભક્ત યોબની જેમ તમે મારા વિષે સાચું બોલ્યા નથી. તેથી એલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી તથા સોફાર નાઅમાથી પ્રભુની આજ્ઞા પ્રમાણે યોબ પાસે ગયા અને તેમણે અર્પણો ચડાવ્યાં અને પ્રભુએ યોબની પ્રાર્થના સ્વીકારી. યોબે તેના મિત્રોને માટે પ્રાર્થના કરી. તે પછી પ્રભુએ તેને ફરીથી આબાદ કર્યો અને પહેલાં હતી તે કરતાં બમણી સમૃદ્ધિ બક્ષી. યોબના બધા ભાઈઓ, તેની બધી બહેનો અને સઘળા પરિચિતો તેની મુલાકાતે આવ્યા અને તેના ઘરમાં તેની સાથે મિજબાની માણી. તેમણે યોબ પ્રત્યે તેમની સહાનુભૂતિ દર્શાવી અને પ્રભુએ જે વિપત્તિ તેના પર ઊતારી હતી તે અંગે તેને સાંત્વન આપ્યું. દરેક જણે તેને એક ક્સીતા સિક્કો અને સોનાની વીંટી આપ્યાં. પ્રભુએ યોબને તેની આગલી અવસ્થાના કરતાં તેની પાછળની અવસ્થામાં વિશેષ આશીર્વાદ આપ્યો. હવે તેની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, બળદની એક હજાર જોડ અને હજાર ગધેડીઓ થયાં. તેને સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ થયાં. તેણે સૌથી મોટી પુત્રીનું નામ યમીમા, બીજીનું નામ કેસીયા અને ત્રીજીનું નામ કેરેન-હાપુખ પાડયું. આખા દેશમાં યોબની પુત્રીઓ જેવી સ્વરૂપવાન અન્ય કોઈ યુવતીઓ નહોતી અને તેમના પિતાએ તેમને પણ તેમના ભાઈઓ સાથે વારસામાં હિસ્સો આપ્યો. આ પછી યોબ બીજાં એક્સો ચાલીસ વર્ષ સુધી જીવ્યો અને પોતાના પુત્રો તથા ત્રીજી અને ચોથી પેઢીનાં સંતાનો જોઈ શક્યો. પછી યોબ વયોવૃદ્ધ થઈ ઘણી પાકટ વયે મૃત્યુ પામ્યો. ધન્ય છે પ્રભુના લોકને કે જેઓ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતા નથી, પાપીઓના માર્ગમાં ઊભા રહેતા નથી, અને ઈશ્વરનિંદકોના સહવાસમાં બેસતા નથી; એને બદલે, પ્રભુનું નિયમશાસ્ત્ર જ તેમનો આનંદ છે અને રાતદિવસ તેઓ તેનું મનન કરે છે. તેઓ તો નદી પાસે રોપાયેલા વૃક્ષ સમાન છે; જે ઋતુ પ્રમાણે ફળ આપે છે અને જેનાં પાંદડાં કદી કરમાતાં નથી. તેમના પ્રત્યેક કાર્યમાં તેમને સફળતા સાંપડે છે. પરંતુ દુષ્ટો એવા હોતા નથી; તેઓ તો પવનથી ઊડી જતાં ફોતરાં સમાન છે. ન્યાયસભામાં દુષ્ટો ટકી શકશે નહિ, નેકજનોની સભામાં પાપીઓ બેસી શકશે નહિ, કારણ, પ્રભુ નેકજનોના માર્ગની દેખરેખ રાખે છે, પરંતુ દુષ્ટોનો માર્ગ તેમને વિનાશ તરફ લઈ જશે. રાષ્ટ્રો બળવાનું આયોજન કેમ કરે છે? પ્રજાઓ વ્યર્થ કાવતરાં કેમ ઘડે છે? તેમના રાજાઓ સજ્જ થયા છે; તેમના શાસકો સાથે મળીને પ્રભુ અને તેમના અભિષિક્ત રાજાની વિરુદ્ધ પ્રપંચ કરે છે. તેઓ કહે છે, “ચાલો, આપણે તેમની જંજીરોને તોડી નાખીએ, તેમની ધૂંસરીનાં બંધન ફગાવી દઈએ.” સ્વર્ગમાં બિરાજમાન પ્રભુ હસે છે, પ્રભુ તેમની હાંસી ઉડાવે છે. પછી રોષમાં તે તેમને ધમકી આપે છે; પોતાના પ્રકોપથી તે તેમને આતંક પમાડે છે. પ્રભુ કહે છે, “મારા પવિત્ર પર્વત સિયોનમાં મેં મારા રાજાનો રાજ્યાભિષેક કર્યો છે.” રાજા કહે છે, “હું પ્રભુના ઢંઢેરાની ઘોષણા કરીશ, તેમણે મને કહ્યું, ‘તું મારો પુત્ર છે, આજે હું તારો પિતા બન્યો છું. માગ, અને હું તને બધાં વિદેશી રાષ્ટ્રો વારસામાં આપીશ, અને સમગ્ર પૃથ્વી તારી થશે. તું તેમને લોહદંડથી ખંડિત કરીશ, અને માટીના પાત્રની જેમ તેમના ચૂરેચૂરા કરીશ.” તેથી હે રાજાઓ, સમજુ બનો, પૃથ્વીના શાસકો ચેતી જાઓ. આદરયુક્ત ભયથી પ્રભુની આરાધના કરો. ધ્રૂજતાં ધ્રૂજતાં તેમનાં ચરણ ચૂમો; રખેને તે તમારા પર કોપાયમાન થાય અને તત્કાળ તમારો વિનાશ થાય; કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠે છે. પ્રભુને શરણે જનારાઓને ધન્ય છે! (દાવિદ પોતાના પુત્ર આબ્શાલોમથી નાસી છૂટયો તે સમયનું તેનું ગીત) હે પ્રભુ, મારા દુશ્મનો અસંખ્ય છે, ઘણા વિરોધીઓ મારી સામે પડયા છે. તેઓ મારે વિષે વાતો કરે છે કે, ‘ઈશ્વર તેને બચાવશે નહિ.’ (સેલાહ) પરંતુ હે પ્રભુ, તમે તો ઢાલરૂપે ચારે બાજુથી મારું રક્ષણ કરો છો; તમે મારું ગૌરવ વધારો છો અને મારું મસ્તક ઉન્‍નત કરો છો. હું સહાય માટે પ્રભુને મોટેથી પોકારું છું, અને તે મને પોતાના પવિત્ર પર્વત પરથી ઉત્તર આપે છે. (સેલાહ) હું પથારીમાં પડું ત્યારે મને ઊંઘ આવી જાય છે; હું સવારે જાગું છું અને જોઉં છું કે પ્રભુ મારી સંભાળ રાખે છે. ચારે બાજુએથી મને ઘેરી વળેલા હજારો સૈનિકોથી હું ડરતો નથી. હે પ્રભુ, ઊઠો, મારા ઈશ્વર, મને ઉગારો! તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કરો છો, અને દુષ્ટોના દાંત ભાંગી નાખો છો. ઉદ્ધાર તો પ્રભુ થકી જ મળે છે! પ્રભુ તમારી આશિષ તમારા લોક પર હો! (સેલાહ) (સંગીત સંચાલક માટે સૂચના: તંતુ વાદ્ય સાથે ગાવાનું દાવિદનું ગીત) હે ઈશ્વર, મારા સમર્થક, હું પોકારું ત્યારે મને ઉત્તર આપો. હું ભીંસમાં આવી પડયો ત્યારે તમે મને તેમાંથી મુક્ત કર્યો, હવે મારા પર દયા કરો અને મારી પ્રાર્થના સાંભળો. હે માણસો, ક્યાં સુધી તમે મારા ગૌરવને કલંક લગાડશો? ક્યાં સુધી તમે વ્યર્થતાને ચાહશો અને જૂઠાણાંની પાછળ ભટકશો? (સેલાહ) યાદ રાખો કે પ્રભુ તેમને સમર્પિત થયેલા લોકની પડખે છે, અને હું પોકારું ત્યારે તે સાંભળે છે. ભયભીત થાઓ, પાપ કરતાં અટકો, તમારી પથારી પર શાંતિથી સુતા હો ત્યારે તમારા મનમાં ઊંડો વિચાર કરો. (સેલાહ) યોગ્ય બલિદાનોનું અર્પણ ચડાવો અને પ્રભુ પર ભરોસો રાખો. ઘણા માણસો આવી પ્રાર્થના કરે છે: “હે પ્રભુ, અમને અઢળક આશિષ આપો, હે પ્રભુ, અમારા પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો.” ધાન્ય અને દ્રાક્ષાસવની વિપુલતાથી માણસોને જે આનંદ મળે, તે કરતાં અધિક આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે. હું પથારીમાં પડું છું અને શાંતિપૂર્વક ઊંઘી જાઉં છું, કારણ, હે પ્રભુ, એકલા તમે જ મને સલામત રાખો છો. (સંગીત સંચાલક માટે સૂચના: વાંસળીઓ સાથે ગાવા માટે દાવિદનું ગીત) હે પ્રભુ, મારા શબ્દો કાન દઈને સાંભળો; મારા નિ:સાસા પર લક્ષ આપો. હે મારા રાજા અને મારા ઈશ્વર, સહાય માટેના મારા પોકાર પર ધ્યાન દો; કારણ, હું તમને પ્રાર્થના કરું છું. હે પ્રભુ, મારી પરોઢની પ્રાર્થના રજૂ કરું છું, અને તમારા ઉત્તરની પ્રતીક્ષા કરું છું. તમે તો દુરાચારથી પ્રસન્‍ન થનાર ઈશ્વર નથી, તમારી હાજરીમાં દુષ્ટતા ટકી શક્તી નથી. તમારી સન્મુખ અહંકારીઓ ઊભા રહી શક્તા નથી; તમે બધા દુષ્ટોનો તિરસ્કાર કરો છો. તમે જૂઠું બોલનારાઓને નષ્ટ કરો છો; હે પ્રભુ, તમે ઘમંડી અને દગાબાજ લોકોને ધિક્કારો છો. પરંતુ હું તો તમારા પ્રેમને લીધે તમારા ઘરમાં પ્રવેશી શકું છું, અને ભક્તિભાવથી તમારા પવિત્ર મંદિરમાં આરાધના કરી શકું છું. હે પ્રભુ, શત્રુઓ મારી વિરુદ્ધ ટાંપી રહ્યા હોવાથી મને સત્યમાં દોરો; તમારો માર્ગ મારી સમક્ષ સરળ કરો. મારા શત્રુઓની કોઈ વાત ભરોસાપાત્ર નથી; તેમનું ચિત્ત નાશ કરવામાં ચોંટેલું છે. તેમની જીભ ખુશામતથી સભર લાગે, પણ તેમના પેટમાં તો ઘાતકી પ્રપંચ હોય છે. હે ઈશ્વર, તમે તેમને દોષિત ઠરાવીને સજા ફરમાવો; તમે તેમને તેમના પ્રપંચમાં જ ફસાઈ પડવા દો. તમારી વિરુદ્ધના તેમના અનેક અપરાધ અને વિદ્રોહને લીધે તેમને તમારી હાજરીમાંથી હાંકી કાઢો. પરંતુ તમારું શરણ શોધનારા આનંદ કરશે, તેઓ સદા હર્ષનાં ગીતો ગાશે; તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હરખાય માટે તમે તેમનું રક્ષણ કરો. હે પ્રભુ, તમે નેકજનોને આશિષ આપો છો, અને તમારી કૃપા તો ઢાલની જેમ તેમની રક્ષા કરે છે. (સંગીત સંચાલક માટે સૂચના: તંતુવાદ્ય સાથે શમીનીથ પ્રમાણે ગાવા, દાવિદનું ગીત) હે પ્રભુ, ક્રોધે ભરાઈને મને ધમકી આપશો નહિ, તમારા રોષમાં મને સજા કરશો નહિ. હે પ્રભુ, મારા પર દયા કરો; કારણ, હું નિર્બળ થઈ ગયો છું. મને સાજો કરો; કારણ, મારાં હાડકાંમાં પીડા થાય છે. મારો જીવ અતિ વ્યગ્ર બન્યો છે. પ્રભુ, કયાં સુધી તમે મને સાજો નહિ કરો? હે પ્રભુ, આવો, મારો જીવ બચાવો. તમારા પ્રેમને લીધે મને મરણમાંથી ઉગારો. કારણ, મરણ પછી તમારું સ્મરણ કોણ કરશે? અને મૃત્યુલોક શેઓલમાં તમારી સ્તુતિ કોણ કરશે? મારા નિ:સાસાથી હું નિર્ગત થઈ ગયો છું; દર રાતે આંસુથી મારી પથારી ભીંજાઈ જાય છે, અને રુદનથી મારું બિછાનું ભીનું થઈ જાય છે. શોકથી મારી આંખો ક્ષીણ થઈ છે મારા શત્રુઓને લીધે તે ખૂબ નબળી પડી ગઈ છે. હે દુરાચારીઓ, મારાથી દૂર જાઓ, કારણ, પ્રભુએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે. પ્રભુએ મારી અરજ સાંભળી છે, તેમણે મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો છે. મારા શત્રુઓ પરાજયથી લજ્જિત અને વ્યથિત થશે; તેઓ ભોંઠા પડીને એકાએક નાસી છૂટશે. (બિન્યામીન કુળના કૂશ વિષે પ્રભુ સમક્ષ ગાયેલું દાવિદનું શિગ્ગાયોન) હે પ્રભુ, મારા ઈશ્વર, હું તમારે શરણે આવ્યો છું, મારો પીછો કરનારાઓથી મને છોડાવો અને મારો બચાવ કરો; નહિ તો તેઓ મને સિંહની જેમ ઘસડી જશે, મને ફાડીને ચીરી નાખશે, અને મને કોઈ છોડાવી શકશે નહિ. હે પ્રભુ, મારા ઈશ્વર, જો અન્યાયથી મારા હાથ ખરડાયા હોય, મિત્રની ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળ્યો હોય, જો મારા શત્રુ પર અકારણ હિંસા આચરી હોય, જો મેં આવું કંઈ કર્યું હોય, *** તો મારા શત્રુઓ મારો પીછો કરી મને પકડી પાડો; તેઓ મારા જીવને ખૂંદી કાઢો, અને તેઓ મારી આબરુ ધૂળમાં રગદોળો. (સેલાહ) હે પ્રભુ, તમે તમારા ક્રોધમાં ઊઠો. મારા શત્રુઓના રોષનો પ્રતિકાર કરો, મારે માટે જાગ્રત થાઓ, અને મને ન્યાય અપાવો. વિશ્વની બધી પ્રજાઓને તમારી પાસે એકત્ર કરો, અને તેમની મધ્યે તમે ઊંચા ન્યાયાસને બિરાજો. હે પ્રભુ, સમસ્ત માનવજાતના ન્યાયાધીશ, મારું સદાચરણ અને મારી નિષ્ઠાને લક્ષમાં લઈ ન્યાય કરો. તમે તો ન્યાયી ઈશ્વર છો, તમે માનવી મન અને દયને પરખો છો; તમે દુષ્ટોની દુષ્ટતાનો અંત લાવો, અને નેકજનોને આબાદ કરો. ઈશ્વર તો મારે માટે રક્ષણ કરનારી ઢાલ સમા છે; તે નિખાલસ દયવાળાઓને બચાવે છે. ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે; તે હંમેશા દુષ્ટતાને વખોડે છે. જો દુષ્ટો પાપથી વિમુખ નહિ થાય, તો ઈશ્વર પોતાની તલવાર ઘસીને ધારદાર બનાવશે. તેમણે પણછ ખેંચીને પોતાનું ધનુષ્ય તૈયાર કર્યું છે. તેમણે પોતાનાં ક્તિલ શસ્ત્રો ઉપાડયાં છે, અને પોતાનાં અગ્નિબાણો તાક્યાં છે. જુઓ, દુષ્ટોને દુષ્ટતાનો ગર્ભ રહે છે, તેઓ ઉપદ્રવને ઉદરમાં ઉછેરે છે, અને જૂઠાણાંને જન્મ આપે છે! બીજા માટે ખોદેલા ખાડાઓમાં દુષ્ટો પોતે જ ફસાઈ પડે છે. તેમની હિંસા તેમના જ મસ્તક પર પાછી આવશે; તેમનો જુલમ તેમના જ તાલકા પર આવી પડશે. પ્રભુના ન્યાયને લીધે હું તેમની સ્તુતિ કરું છું; હું ‘યાહવે - એલ્યોન’ એટલે, સર્વોચ્ચ પ્રભુનો જયજયકાર ગાઉં છું. (સંગીત સંચાલક માટે સૂચના: ગીત્તીથ પ્રમાણે, દાવિદનું ગીત) હે યાહવે, અમારા પ્રભુ, સમસ્ત સૃષ્ટિમાં તમારું નામ કેટલું મહાન છે! તમારા ગૌરવની પ્રશંસા આકાશો સુધી પહોંચે છે; શિશુઓ તથા ધાવણાંઓના મુખે તમારી સ્તુતિ ગવાય છે; તે દ્વારા તમારા દુશ્મનો, વિરોધીઓ અને વેરીઓનો અંત લાવવા તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે. જ્યારે હું તમારે હાથે રચેલા આકાશને, અને તમે તેમાં ગોઠવેલા ચંદ્ર અને તારાઓને નિહાળું છું, ત્યારે હું વિચારું છું કે, માણસ તે કોણ કે તમે તેનું સ્મરણ કરો છો? અને માનવપુત્ર તે કોણ કે તમે તેની દરકાર રાખો છો? તમે તો તેને દૂતો કરતાં થોડો જ ઊતરતો સર્જયો છે, અને તેને માથે ગૌરવ તથા માનનો મુગટ મૂક્યો છે. તમારી સર્વ કૃતિઓ પર તમે તેને શાસક બનાવ્યો છે, સમસ્ત સૃષ્ટિ તમે તેના તાબા હેઠળ મૂકી છે. *** ઘેટાંબકરાં, ગાયભેંસ અને વન્ય પશુઓ; આકાશનાં પક્ષીઓ, સમુદ્રનાં માછલાં અને સમુદ્રનાં અન્ય જળચરો એ બધું તેને તાબે કર્યું છે. હે યાહવે, અમારા પ્રભુ, સમસ્ત સૃષ્ટિમાં તમારું નામ કેટલું મહાન છે! (સંગીત સંચાલક માટે સૂચના: પુત્રના અવસાન પ્રસંગે ચહિબ્રૂ: મૂથ લાબેન પ્રમાણેૃ- દાવિદનું ગીત) હે પ્રભુ, હું મારા સંપૂર્ણ દયથી તમારી સ્તુતિ કરીશ; હું તમારાં આશ્ર્વર્યજનક કાર્યો પ્રગટ કરીશ. હું તમારે લીધે હર્ષ અને આનંદ કરીશ; હે સર્વોચ્ચ ઈશ્વર, હું તમારા નામનાં ભક્તિગીત ગાઈશ. તમારી સંમુખ તો મારા શત્રુઓ પાછા હઠીને નાસે છે; તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે. કારણ, તમારા ન્યાયાસન પર બિરાજીને તમે સાચો ચુકાદો આપ્યો છે; તમે મારા હક્ક અને દાવાનું સમર્થન કર્યું છે. તમે વિદેશી પ્રજાઓને ધમકાવી છે, અને દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેમનું નામનિશાન સદાને માટે ભૂંસી નાખ્યું છે. તમે શત્રુઓને સદાને માટે ખતમ કર્યા છે; તેમનાં નગરોને ખંડેરમાં પલટી નાખ્યાં છે, અને તેમનું સ્મરણ પણ રહ્યું નથી. જુઓ, પ્રભુ તો સદાસર્વદા રાજયાસન પર બિરાજેલ છે; ન્યાય તોળવા માટે તેમણે પોતાનું આસન પ્રસ્થાપિત કર્યું છે. તે નેકીથી પૃથ્વીનો ન્યાય કરે છે; અને તે પ્રજાઓનો અદલ ઇન્સાફ કરે છે. પ્રભુ તો પીડિતોનું આશ્રયસ્થાન છે; સંકટના સમય માટે તે શરણગઢ છે. હે યાહવે, તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખે છે; તમારું શરણ શોધનારાઓને તમે કદી તરછોડતા નથી. સિયોનમાં બિરાજનાર પ્રભુનાં ગુણગાન ગાઓ; પ્રત્યેક દેશના લોકોને તેમનાં અદ્‍ભુત કાર્યો જાહેર કરો. પીડિતોના ખૂનનો બદલો લેવાનું ઈશ્વર યાદ રાખે છે; તે તેમના પોકારને વીસરી જતા નથી. હે પ્રભુ, મારા પર દયા કરો, મારો દ્વેષ કરનારા મને રીબાવે છે તે જુઓ અને મને મૃત્યુના દરવાજેથી ઉગારો; એટલે, હું સિયોનના દરવાજે લોકોની સમક્ષ તમારાં ગુણગાન ગાઈશ; અને તમારા ઉદ્ધારમાં આનંદ પામીશ. વિધર્મીઓ જાતે ખોદેલા ખાડામાં ગબડી પડયા છે; પોતે બિછાવેલી જાળમાં તેઓ ફસાયા છે. અદલ ન્યાયશાસન દ્વારા પ્રભુએ પોતાનો પરિચય કરાવ્યો છે, અને દુષ્ટો પોતાની જ પ્રપંચી જાળમાં ફસાયા છે. (હિગ્ગાયોન, સેલાહ) દુષ્ટો મૃત્યુલોક શેઓલ પ્રતિ ઘસડાઈ જશે. સાચે જ, ઈશ્વરની અવજ્ઞા કરનાર બધા લોકોનો એ જ અંજામ થશે. કંગાળોની સદા ઉપેક્ષા કરાશે નહિ. અને પીડિતોની આશા હંમેશા કચડી નંખાશે નહિ. હે પ્રભુ, ઊઠો, મર્ત્ય માણસોને પ્રબળ થવા ન દો, વિધર્મીઓને તમારી સન્મુખ લાવો અને તેમનો ન્યાય તોળો. હે પ્રભુ, તમે તેમને ભયભીત કરો; જેથી તેઓ જાણે કે તેઓ તો ક્ષણભંગૂર છે (સેલાહ) હે પ્રભુ, તમે કેમ ખૂબ દૂર રહો છો? સંકટને સમયે તમે કેમ સંતાઈ જાઓ છો? અહંકારી દુષ્ટો ગરીબોને ખૂબ સતાવે છે; દુષ્ટોના પ્રપંચમાં ગરીબો ફસાઈ જાય છે. દુષ્ટ પોતાની બૂરી આકાંક્ષાની બડાશ મારે છે; લોભી માણસ પ્રભુની નિંદા કરીને તેમનો નકાર કરે છે. અહંકારને લીધે દુષ્ટ માણસ ઈશ્વરથી વિમુખ રહે છે; તેના વિચારોમાંય ઈશ્વરનું સ્થાન નથી. દુષ્ટને પ્રત્યેક કાર્યમાં સફળતા મળે છે; ઈશ્વરનો ઊંચા ધોરણનો ન્યાય તેની સમજની બહાર છે, તે પોતાના શત્રુઓ સામે ધૂરકિયાં કરે છે. તે પોતાના મનમાં વિચારે છે, “હું કદી નાસીપાસ થનાર નથી; અરે, મારા વંશજો પણ કદી સંકટમાં આવી પડશે નહિ.” તેની વાણી શાપ, કપટ અને જુલમથી ભરેલી છે; તેની વાતો ઉપદ્રવ અને દુરાચાર વિષેની જ હોય છે. તે ગામ બહાર છૂપી જગાએ સંતાઈને બેસે છે; તે લાચાર લોકોની હત્યા કરવા ટાંપીને બેસે છે; તે નિરાધાર શિકારોની જાસૂસી કરે છે. તે ઝાડીમાં લપાયેલા સિંહની જેમ પોતાની છૂપી જગ્યામાં લપાય છે, તે સંતાઈને નિરાધારો માટે ટાંપી રહે છે, તે તેમને પોતાના ફાંદામાં ફસાવીને ઘસડી જાય છે. નિરાધાર શિકાર પટકાઈ પડે છે; પાશવી બળ આગળ તે હારી જાય છે. દુષ્ટ પોતાના મનમાં વિચારે છે કે ઈશ્વરને કંઈ પડી નથી; ઈશ્વરે પોતાનું મુખ સંતાડયું છે; તે કદી મને જોશે નહિ! હે પ્રભુ, ઊઠો; હે ઈશ્વર, દુષ્ટોને સજા કરવા તમારો હાથ ઉપાડો; તમે પીડિતોને વીસરી જશો નહિ. દુષ્ટ કેમ ઈશ્વરની ઉપેક્ષા કરે છે? તે મનમાં એમ કેમ માને છે કે ઈશ્વર ખૂનનો બદલો નહિ લે? પરંતુ હે ઈશ્વર, તમે બધું જ જુઓ છો અને સંકટ તથા દુ:ખમાં પડેલાને ધ્યાનમાં લો છો; તમે સહાય કરવા માટે સદા આતુર છો. નિરાધારો તમારે શરણે આવે છે; અને તમે તો અનાથોના બેલી છો! હે પ્રભુ, તમે દુષ્ટ અને દુરાચારીઓની શક્તિ તોડી પાડો, તેમનાં દુષ્ટ કૃત્યો માટે તેમને એવી સજા કરો કે તેઓ દુષ્ટતા આચરતા અટકી જાય! પ્રભુ સાર્વકાલિક રાજા છે; તેમની ભૂમિ પરથી અન્ય દેવોના ઉપાસકો નષ્ટ થશે. હે પ્રભુ, તમે પીડિતોનો પોકાર સાંભળો છો; તમે તેમના દયને હિંમત આપશો. તમે શોષિતો અને અનાથોનો આર્તનાદ સાંભળીને તેમના પક્ષમાં ન્યાય તોળશો; જેથી મર્ત્ય માણસો હવે પછી જુલમ ગુજારે નહિ. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) હું તો રક્ષણ માટે પ્રભુને શરણે આવ્યો છું; તો પછી તમે મને એમ કેમ કહો છો કે, “હે પક્ષી, તું તારા પર્વત પર ઊડી જા?” કારણ કે દુષ્ટોએ ધનુષ્યો પર પોતાનાં બાણ ચડાવીને તાક્યાં છે; જેથી તેઓ અંધારામાં જ સજ્જનોને વીંધી નાખે. સમાજવ્યવસ્થાના પાયા જ નષ્ટ કરવામાં આવે, ત્યારે નેકજન શું કરી શકે? પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે, પ્રભુનું રાજ્યાસન સ્વર્ગમાં છે; તેમની આંખો માનવજાતને નિહાળે છે, તે એક પલકારામાં તેમને પારખે છે. પ્રભુ નેકજનોની પારખ કરે છે; પરંતુ દુષ્ટોને અને હિંસાખોરોને દયપૂર્વક ધિક્કારે છે. તે દુષ્ટો પર સળગતા અંગારા અને બળતો ગંધક વરસાવશે; દઝાડતી લૂ તેમના પ્યાલાનો હિસ્સો બનશે. કેમ કે પ્રભુ ન્યાયી છે અને તે સદ્વર્તન ચાહે છે; અને સજ્જ્નો તેમના મુખનાં દર્શન કરશે. (સંગીત સંચાલક માટે સૂચના: શમીનીય પ્રમાણે, દાવિદનું ગીત) હે પ્રભુ, અમને બચાવો; કારણ, ધાર્મિકજનોની ભારે ખોટ વર્તાય છે; અને જનસમાજમાંથી ઈમાનદારો નામશેષ થઈ ગયા છે. માણસો એકબીજા સાથે અસત્ય બોલે છે; તેઓ હૈયે કપટ, પણ હોઠે ખુશામત રાખી એકબીજા સાથે વાત કરે છે. હે પ્રભુ, એ ખુશામતિયા હોઠોને બંધ કરી દો; અને એ બડાઈખોર જીભોને ચૂપ કરી દો. તેઓ કહે છે, “અમે અમારી જીભથી જીતીશું; અમને અમારા હોઠોનો સાથ છે, પછી અમારા પર ધણીપણું કરનાર કોણ?” પ્રભુ કહે છે, “ગરીબો પર અત્યાચાર થઈ રહ્યો છે, અને જુલમપીડિતો નિ:સાસા નાખે છે; તેથી હું હવે ઊઠીશ, અને તેમની ઝંખના પ્રમાણે હું તેમને છોડાવીશ.” યાહવેનાં વચનો શુદ્ધ છે. તે માટીની ભઠ્ઠીમાં સાતવાર પરખાવેલી ચાંદી જેવાં નિર્ભેળ છે. દુષ્ટો તો આમતેમ બધે ધૂમે છે, અને લોકો અધમતાની પ્રશંસા કરે છે. તેથી હે પ્રભુ, તમે અમારું રક્ષણ કરજો, અને એવી દુષ્ટ પેઢીથી અમને સદા સંભાળજો. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) હે પ્રભુ, શું તમે મને કાયમને માટે વીસરી જશો? ક્યાં સુધી તમે મારાથી તમારું મુખ છુપાવશો? ક્યાં સુધી હું મનોમંથન કર્યા કરીશ, અને મારું હૃદય વેદનાથી રીબાયા કરશે? ક્યાં સુધી મારા શત્રુઓ મારા પર પ્રબળ થયા કરશે? હે પ્રભુ, મારા ઈશ્વર, મારી તરફ લક્ષ દઈને મને ઉત્તર દો; મારી આંખોને સતેજ કરો; જેથી હું મૃત્યુનિદ્રામાં પોઢી જાઉં નહિ. મારા શત્રુઓને એમ કહેવા ન દો કે, “અમે તેના પર જીત પામ્યા છીએ,” અને મારા પતનમાં તેમને હર્ષ પામવા ન દો. પરંતુ, હું તમારા પ્રેમ પર વિશ્વાસ રાખું છું; મારું હૃદય તમારા ઉદ્ધારથી હર્ષનાદ કરશે. હે પ્રભુ, હું તમારી આગળ સ્તુતિનાં ગીત ગાઈશ; કારણ, તમે મારા પ્રત્યે ઉદારતા દાખવી છે. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) મૂર્ખ પોતાના મનમાં વિચારે છે: “ઈશ્વરનું અસ્તિત્વ જ નથી.” તેઓ ભ્રષ્ટ છે અને તેમણે અધમ કૃત્યો કર્યાં છે, અને સર્ત્ક્ય કરનાર એક પણ નથી. કોઈ સમજુ કે ઈશ્વરની ઝંખના સેવનાર છે કે કેમ તે જોવાને પ્રભુ સ્વર્ગમાંથી માનવજાત પર દષ્ટિ કરે છે. પરંતુ સઘળા અવળે માર્ગે ચઢી ગયા છે; તેઓ સૌ એક્સરખા ભ્રષ્ટ થયા છે; અને સર્ત્ક્ય કરનાર કોઈ નથી, ના, એક પણ નથી! આ ભ્રષ્ટાચારીઓને પ્રભુ સાથે કોઈ સંબંધ નથી, અને તેઓ કદી પ્રભુને પ્રાર્થના પણ કરતા નથી; જાણે રોટલી ખાતા હોય તેમ તેઓ મારા લોકને ખાઈ જાય છે. પરંતુ જુઓ, તેઓ મહાભયથી કંપી ઊઠશે; કારણ, ઈશ્વર તેમના ભક્તજનોના પક્ષમાં છે. ઓ દુરાચારીઓ, તમે દીનજનોની આકાંક્ષાઓ તોડી પાડો છો, પરંતુ પ્રભુ તેમનો આશ્રય છે. સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર પ્રગટ થાય તો કેવું સારું! ત્યારે તો પ્રભુ, ઇઝરાયલને પુન: આબાદ કરશે; ત્યારે યાકોબના વંશજો આનંદ કરશે અને ઇઝરાયલના લોકો હર્ષ પામશે. (દાવિદનું ગીત) હે પ્રભુ, તમારા મંદિરમાં કોણ મુકામ કરી શકે? તમારા પવિત્ર સિયોન પર્વત પર કોણ નિવાસ કરી શકે? જેની ચાલચલગત સીધી છે, જે હંમેશા નેકી આચરે છે, અને જે દયપૂર્વક સત્ય બોલે છે, જેની જીભ નિંદામાં રાચતી નથી, જે પોતાના મિત્રનું બૂરું કરતો નથી, અને પોતાના પડોશીની બદનક્ષી કરતો નથી, જેની દષ્ટિમાં અધમ માણસ તિરસ્કારપાત્ર છે, પરંતુ પ્રભુના ભક્તોને સન્માન આપે છે, જાતે નુક્સાન ભોગવીને પણ તે સોગંદ પાળે છે, અને ફરી જતો નથી, જે વ્યાજખોરી માટે જ નાણાં ઉછીનાં આપતો નથી, અને જે લાંચ લઈને નિર્દોષ વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરવા લલચાતો નથી, એવાં કાર્યો કરનાર મનુષ્ય કદી ડગશે નહિ. (દાવિદનું મિખ્તામ) હે ઈશ્વર, મારું રક્ષણ કરો. કારણ, હું તમારે શરણે આવ્યો છું. હે યાહવે, હું કબૂલ કરું છું કે, તમે જ મારા પ્રભુ છો, તમે જ મારું સકલ હિત છો, તમારા સમાન કોઈ જ નથી. એક સમયે હું જેમને સમર્થ માનતો એવા અન્ય દેવોની ઉપાસનામાં હરખાતો હતો; પણ અન્ય દેવોના ઉપાસકો દુ:ખમાં ડૂબી જશે; તેથી હું અન્ય દેવોને બલિ ચડાવીશ નહિ, મારે હોઠે તેમનાં નામ લઈશ નહિ. પ્રભુ જ મારો પસંદ કરેલો વારસો અને પ્યાલો છે; અને મારો હિસ્સો નક્કી કરનાર પણ તમે જ છો. માપણીની દોરી મારે માટે રમણીય સ્થાનોમાં પડી છે! સાચે જ મને અદ્‍ભુત વારસો પ્રાપ્ત થયો છે! પ્રભુ મારા સલાહકાર છે, તેથી હું તેમને ધન્યવાદ આપીશ; દર રાતે મારો અંતરઆત્મા મને ચેતવે છે. હું નિરંતર પ્રભુને મારી સમક્ષ રાખું છું. તે મારે જમણે હાથે છે તેથી મને કોઈ ડગાવી શકશે નહિ. તે માટે મારું હૃદય હર્ષિત છે, અને મારો આત્મા ઉલ્લાસિત છે; મારો દેહ પણ સુરક્ષિત છે. તમે મને ક્સમધ્યે મૃત્યુલોક શેઓલને સોંપવાના નથી; અને તમારા આ પ્રિય ભક્તને કબરભેગો કરવાના નથી. તમે મને જીવન તરફ જતો માર્ગ ચીંધો છો. તમારી સમક્ષતા મને પરમ આનંદથી ભરી દે છે. તમારે જમણે હાથે હોવું એ જ સાર્વકાલિક સુખ છે. (દાવિદનું પ્રાર્થના ગીત) હે પ્રભુ, ન્યાય માટેની મારી યાચના સાંભળો, મારા પોકાર પ્રત્યે લક્ષ આપો; મારી પ્રાર્થના પ્રત્યે કાન દો, કારણ, તે નિષ્કપટ હોઠોમાંથી નીકળી છે. તમારી ઉપસ્થિતિમાં જ મારો ન્યાય થવા દો. કારણ, તમારી આંખો સચ્ચાઈને પારખે છે. તમે મારા દયને પારખ્યું છે, રાત્રિને સમયે પણ તમે મારું નિરીક્ષણ કરો છો, તમે મારી પરીક્ષા કરી છે, અને મારામાં કંઈ બુરાઈ મળી નથી; મેં મારે મુખે પણ અપરાધ કર્યો નથી. તમારા મુખના શબ્દોને લીધે હું બીજા માણસોની જેમ વર્ત્યો નથી, હું જુલમીઓના માર્ગને અનુસર્યો નથી. હું સદા તમારે જ માર્ગે ચાલ્યો છું અને કદી સાચા રસ્તાથી ભટકી ગયો નથી. હે ઈશ્વર, હું તમને પોકારું છું; કારણ, તમે મને ઉત્તર આપો છો. હવે મારી તરફ કાન દો, અને મારી અરજ સાંભળો. હે ઈશ્વર, તમે તો તમારે શરણે આવનાર લોકને તેમના શત્રુઓથી બચાવનાર છો, તેથી તમારો પ્રેમ પ્રગટ કરો; મને તમારી આંખની કીકીની જેમ સાચવો, અને તમારે જમણે હાથે રાખો; લૂંટી લેનાર દુષ્ટોથી તથા ઘેરી વળેલા ઘાતકી શત્રુઓથી મને તમારી પાંખોની છાયા નીચે સંતાડો. *** *** તેમનાં હૃદય પથ્થર જેવાં દયાહીન છે, તેઓ ઘમંડથી બોલે છે. મારા પગ લથડી ગયા છે, તેઓ મને ચોમેરથી ઘેરી વળ્યા છે. મને જમીન પર પછાડવા માટે તેમની આંખો તાકી રહી છે. તેઓ ફાડી ખાવાને તત્પર સિંહ સમા છે; ત્રાટકવાને ઝાડીમાં લપાઈ રહેલા યુવાન સિંહ જેવા છે. હે પ્રભુ, ઊઠો, મારા શત્રુઓનો સામનો કરી તેમને ફગાવી દો; તમારી તલવાર દ્વારા મને દુષ્ટોથી ઉગારો. હે પ્રભુ, તમારા ભુજથી તેમનો સંહાર કરો, તેમને જીવતાઓની દુનિયામાંથી હડસેલી કાઢો; પરંતુ તમારા પસંદ કરેલા ભક્તોને ખોરાકથી તૃપ્ત કરો, તેમનાં સંતાનોને સમૃદ્ધ કરો અને તેઓ તેમનાં સંતાનોનાં સંતાન માટે પણ અઢળક સંપત્તિ મૂક્તા જાય એવું કરો. પરંતુ હું તો ભક્તિભાવથી તમારાં મુખનાં દર્શન કરીશ; હું જાગીશ ત્યારે તમારા સ્વરૂપને નિહાળીને સંતુષ્ટ થઈશ. (સંગીત સંચાલક માટે સૂચના: પ્રભુના ભક્ત દાવિદનું ગીત. જ્યારે પ્રભુએ તેને તેના શત્રુઓના હાથમાંથી અને શાઉલના હાથમાંથી બચાવ્યો ત્યારે તેણે પ્રભુને ઉદ્દેશીને આ ગીત ગાયું. તેણે કહ્યું:) હે પ્રભુ, મારા સમર્થક, હું તમને ચાહું છું. હે પ્રભુ, તમે મારા ખડક, મારો કિલ્લો અને મારા મુક્તિદાતા છો; મારા ઈશ્વર, મારા ગઢ, હું તમારે શરણે આવ્યો છું. તમે મારી સંરક્ષક ઢાલ, મારા સમર્થ ઉદ્ધારક અને ઊંચા બુરજ છો. હું સ્તુતિપાત્ર પ્રભુને પોકારું છું, એટલે તે મને મારા શત્રુઓથી બચાવે છે. મૃત્યુનાં બંધનોએ મને ઘેરી લીધો હતો, વિનાશનાં મોજાં મારી ઉપર ફરી વળ્યાં હતાં; મૃત્યુલોક શેઓલના પાશ મને વીંટળાઈ વળ્યા હતા, અને મૃત્યુએ મારે માટે ફાંદા ગોઠવ્યા હતા. મારા સંકટમાં મેં પ્રભુને પોકાર કર્યો, અને મેં મારા ઈશ્વરને યાચના કરી; તેમણે પોતાના મંદિરમાંથી મારો સાદ સાંભળ્યો, મારી અરજ તેમને કાને પહોંચી. પ્રભુનું સામર્થ્ય ત્યારે ધરતી ધ્રૂજી અને કાંપી, પર્વતોના પાયા ડગમગ્યા તથા ખસી ગયા. કારણ, ઈશ્વર કોપાયમાન થયા. તેમનાં નસકોરાંમાંથી ધૂમાડો નીકળ્યો, તેમનાં મુખમાંથી ભસ્મીભુત કરનાર અગ્નિ અને સળગતા અંગારા ધસી આવ્યા. આકાશો ઝુકાવીને પ્રભુ નીચે ઊતરી આવ્યા. તેમનાં ચરણો તળે ગાઢ અંધકાર હતો. તે પાંખાળાં પ્રાણી કરુબ પર સવારી કરીને ઊડયા, પવનની પાંખે તે વેગે ધસી આવ્યા. તેમણે અંધકારનું આવરણ ઓઢયું હતું. મેઘજળ ભર્યાં ઘનઘોર વાદળના ચંદરવાથી પોતાને ઢાંક્યા હતા. તેમની આગળના તેજમાંથી કરા તથા સળગતા અંગાર, ગાઢાં વાદળોને ભેદીને નીકળી પડયા. પછી પ્રભુએ આકાશમાંથી ગર્જના કરી, અને સર્વોચ્ચ ઈશ્વરની ત્રાડ સંભળાઈ. તેમણે બાણ મારીને તેમના દુશ્મનોને વિખેરી નાખ્યા; વીજળી ફેંકીને તેમને નસાડી મૂક્યા. હે પ્રભુ, તમારી ગર્જનાથી અને તમારી નાસિકાના શ્વાસના સુસવાટાથી સમુદ્રનાં તળિયાં દેખાયાં અને પૃથ્વીના પાયા ખુલ્લા થઈ ગયા. પ્રભુએ ઊંચા સ્થાનોમાંથી હાથ લંબાવીને મને પકડી લીધો. ઊંડાં પાણીમાંથી મને ઉપર ખેંચી લીધો. મારા શત્રુઓ મારે માટે અતિશય શક્તિશાળી હતા; તેથી પ્રભુએ મને એ બળવાન અને મારો તિરસ્કાર કરનાર શત્રુઓથી બચાવ્યો. મારા પર ભયાનક આફત આવી પડી. તે જ વખતે તેઓ મારા પર ત્રાટક્યા; પરંતુ પ્રભુ મારો આધાર બન્યા. પ્રભુ મને વિશાળ જગામાં લઈ આવ્યા, મારા પર પ્રસન્‍ન હોવાને લીધે તેમણે મને ઉગારી લીધો! પ્રભુ મને મારા સદ્વર્તન અનુસાર પ્રતિફળ દે છે. મારા હાથોની શુદ્ધતાને અનુલક્ષીને મને થયેલું નુક્સાન ભરી આપે છે. હું પ્રભુને માર્ગે ચાલ્યો છું અને દુષ્ટતા આચરીને મારા ઈશ્વરની વિરુદ્ધ થયો નથી. મેં તેમના સર્વ નિયમો આંખો આગળ રાખી પાળ્યા છે, અને તેમના કોઈ આદેશો ઉથાપ્યા નથી. હું પ્રભુની દષ્ટિમાં નિર્દોષ હતો. મેં મારી જાતને દોષથી સાચવી છે. પ્રભુએ મને મારા સદ્વર્તન પ્રમાણે અને મારા હાથની શુદ્ધતા જોઈને મારું નુક્સાન વાળી આપ્યું છે. પ્રભુ તમે તો વફાદારોની સાથે વફાદાર, નિર્દોષોની સાથે નિર્દોષ, શુદ્ધની સાથે શુદ્ધ, પરંતુ કપટી લોકોની સાથે કુનેહબાજ છો! તમે પીડિતોનો ઉદ્ધાર કરો છો. પરંતુ ગર્વિષ્ઠ આંખોને નમાવો છો! હે પ્રભુ, તમે મારો દીપક પ્રગટાવો છો; તમે મારા અંધકારને પ્રકાશમાં પલટી નાખો છો. હું તમારે સહારે લશ્કરી અવરોધો ભેદીને આગળ ધસું છું; ઈશ્વરની સહાયથી હું નગરકોટ કૂદી જાઉં છું. ઈશ્વરનો માર્ગ પરિપૂર્ણ છે. પ્રભુનો સંદેશ પરખેલો છે. તે તેમનું શરણ લેનાર માટેની ઢાલ છે. પ્રભુ સિવાય અન્ય ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર સિવાય અન્ય ખડક કોણ છે? ઈશ્વર મને સામર્થ્યરૂપી કમરપટો બાંધે છે, તે જ મારા માર્ગને સલામત બનાવે છે. તે જ મારા પગોને હરણ જેવા ચપળ બનાવે છે. તે ઊંચા સ્થાનો પર મને સલામત રાખે છે. તે મારા હાથોને યુદ્ધવિદ્યા શીખવે છે; અને મારા હાથને તાંબાના મજબૂત ધનુષ્યનેય ખેંચવાની તાક્ત બક્ષે છે. પ્રભુ, તમે મને ઉદ્ધારની ઢાલ આપી છે, તમારા જમણા હાથે મને ધરી રાખ્યો છે. તમે નીચે નમીને મને ઉન્‍નત કરો છો. તમે મને મારાં ડગલાં ભરવા મોકળાશ કરી આપી છે, તેથી મારા પગ ડગી ગયા નથી. હું મારા શત્રુઓનો પીછો કરીને તેમને પકડી પાડું છું; હું તેમનો વિનાશ કર્યા વિના પાછો ફરતો નથી. મારા પ્રહારોથી તેઓ ઢળી પડે છે, અને ફરી પાછા ઊઠી શક્તા નથી; તેઓ મારા પગ આગળ પડેલા છે. તમે યુદ્ધ માટે મારી કમર ક્સો છો, તમે મારા પર હુમલો કરનારાઓને ભોંયભેગા કરો છો. તમે મારા શત્રુઓને મારી સામેથી પાછા ભગાડો છો; મારો દ્વેષ કરનારાઓને હું નષ્ટ કરું છું. મારા વેરીઓ મદદ માટે બૂમો પાડે છે, પણ તેમને બચાવનાર કોઈ નથી, છેવટે તેઓ પ્રભુને પોકારે છે, પણ તે ઉત્તર દેતા નથી. હું શત્રુઓના ચૂરેચૂરા કરી તેમને પવનથી ઊડી જાય તેવી ધૂળ જેવા બનાવી દઉં છું. એથી વિશેષ, હું તેમને રસ્તા પરના કીચડની જેમ ખૂંદું છું. તમે મને લોકો સાથેના સંઘર્ષથી ઉગાર્યો, અને મને ઘણા દેશો પર શાસક તરીકે નીમ્યો; હું ઓળખતો પણ નહોતો તેવા લોકોએ મારી તાબેદારી સ્વીકારી. મારે વિષે સાંભળતાં જ તેઓ મને આધીન થઈ જાય છે; પરદેશીઓ મારી સમક્ષ આવી ધૂંટણો ટેકવે છે. પરદેશીઓ હિંમત હારી જાય છે; તેઓ તેમની આડશો પાછળથી ધ્રૂજતા ધ્રૂજતા બહાર આવે છે. વિજય માટે આભારદર્શન પ્રભુ જીવંત અને જાગ્રત ઈશ્વર છે. ખડક સરખા મારા પ્રભુની સ્તુતિ હો, મારા ઉદ્ધારક ઈશ્વર ઉન્‍નત મનાઓ. મારા શત્રુઓને હરાવવા તે મને સહાય કરે છે; તે રાષ્ટ્રોને મારે તાબે કરે છે. તે મારા વેરીથી મને ઉગારે છે. તમે મને મારા વિરોધીઓ પર વિજય પમાડો છો, અને મને હિંસાખોરોથી બચાવો છો! એ માટે, હે પ્રભુ, હું પરદેશીઓ સમક્ષ તમારાં ગુણગાન ગાઈશ. હું તમારા નામની સ્તુતિ કરીશ. ઈશ્વર પોતાના રાજાને મહાન વિજયો અપાવે છે. તે પોતાના અભિષિક્ત રાજા દાવિદ પર અને તેના વંશજો પર સદાકાળ પ્રેમ દર્શાવે છે. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે: નભોમંડળ ઈશ્વરનું કૌશલ્ય પ્રગટ કરે છે. એક દિવસ બીજા દિવસને એ વિષે જણાવે છે; એક રાત્રિ બીજી રાત્રિને તે વિષે જ્ઞાન આપે છે. ન તો વાણી છે, ન શબ્દો; કોઈ વનિ પણ સંભળાતો નથી. છતાં તેમનો સંદેશ સમસ્ત સૃષ્ટિમાં ફેલાઈ જાય છે, અને ધરતીની સઘળી સીમાઓ સુધી તેનો રણકાર સંભળાય છે. ઈશ્વરે સૂર્ય માટે આકાશનો ચંદરવો બાંધ્યો છે; શયનખંડમાંથી નીકળતા વરરાજાની જેમ સૂર્ય સવારે નીકળે છે; સશક્ત દોડવીરની જેમ પોતાની દોડ આનંદથી દોડે છે. આકાશના એક છેડે સૂર્ય ઊગે છે, અને પરિક્રમણ કરીને તે બીજે છેડે પહોંચે છે; તેની ઉષ્ણતાથી કશું સંતાઈ શકતું નથી. પ્રભુનો નિયમ સંપૂર્ણ છે; તે પ્રાણને તાજગી આપે છે. પ્રભુનાં સાક્ષ્યવચનો વિશ્વસનીય છે; તે અબુધને જ્ઞાન આપે છે. પ્રભુના આદેશો સાચા છે, તે દયને આનંદ આપે છે; પ્રભુની આજ્ઞાઓ નિર્મળ છે; તે આંખોને તેજ પમાડે છે. પ્રભુની ધાકધમકી શુદ્ધ છે; તે સર્વકાળ ટકશે. પ્રભુનાં ધારાધોરણ સાચાં છે; તે હંમેશાં વાજબી હોય છે. તેઓ સુવર્ણ કરતાં, અરે, વિશુદ્ધ કરેલા સુવર્ણ કરતાં ય વધુ પસંદ કરવા યોગ્ય છે. તેઓ મધ કરતાં અને મધપૂડાનાં ટીપાંથી યે વધુ મીઠાં છે. વળી, તેમનાથી તમારા આ ભક્તને ચેતવણી મળે છે, તેમનું પાલન અતિ લાભદાયી છે. પોતાની ભૂલો કોણ પારખી શકે? અજાણપણે થતા અપરાધોથી મને શુદ્ધ કરો. વળી, જાણીબૂઝીને કરાતાં પાપોથી પણ મને દૂર રાખો. તેમને મારા પર પ્રભુત્વ જમાવવા ન દો. ત્યારે તો હું સંપૂર્ણ થઈશ અને અઘોર પાપ કરવાથી બચી જઈશ. હે પ્રભુ, મારા ખડક અને મારા ઉદ્ધારર્ક્તા, મારા મુખના શબ્દો અને મારા મનના વિચારો તમને સ્વીકાર્ય બનો. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) સંકટને સમયે પ્રભુ તમને ઉત્તર આપો; યાકોબના ઈશ્વરનું નામ તમારી રક્ષા કરો. તે પોતાના પવિત્ર સ્થાનમાંથી તમને સહાય કરો; સિયોન પર્વત પરથી તમને શક્તિ આપો. તે તમારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો, વિશેષત: તમારા દહનબલિથી સંતુષ્ટ થાઓ. (સેલાહ) તે તમારી મનોકામના પૂર્ણ કરો અને તમારી સર્વ યોજનાઓને સફળ બનાવો. પછી તો અમે તમારા વિજયને લીધે જય જયકાર કરીશું અને અમે આપણા ઈશ્વરને નામે વિજયપતાકાઓ ફરકાવીશું. પ્રભુ તમારી સર્વ અરજો પરિપૂર્ણ કરો. હવે મને ખાતરી છે કે, પોતે અભિષિક્ત કરેલ રાજાને પ્રભુ વિજય આપે છે, તે તેમના પવિત્ર સ્વર્ગમાંથી રાજાને ઉત્તર આપે છે, અને પોતાના જમણા હાથની શક્તિથી વિજય પમાડે છે. કોઈ રથોનો અને કોઈ ઘોડાઓનો અહંકાર રાખે છે, પરંતુ આપણે તો આપણા ઈશ્વર યાહવેના નામનું સહાય માટે સ્મરણ કરીશું. તેઓ તો ઠોકર ખાઈને પતન પામશે, પરંતુ આપણે તો ઊઠીને ઊભા થઈશું. હે પ્રભુ, રાજાને વિજય પ્રદાન કરો; અમે પોકારીએ ત્યારે ઉત્તર દો. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) હે પ્રભુ, તમે સામર્થ્ય આપ્યું તેથી રાજા આનંદવિભોર છે. તમે તેમને વિજય અપાવ્યો તેથી તે કેટલા ઉલ્લાસિત છે! તમે તેમની મનોકામનાઓ પૂર્ણ કરી છે; તમે તેમના હોઠોની અરજો નકારી નથી. (સેલાહ) તમે શ્રેષ્ઠ આશિષો સાથે તેમને સામે જઈને મળ્યા છો; તમે તેમના મસ્તક પર સુવર્ણમુગટ મૂક્યો છે. તેમણે તમારી પાસે જીવતદાન માગ્યું અને તમે તે આપ્યું; એથી વિશેષ, દીર્ઘકાળ ટકે એવું ભરપૂર જીવન બક્ષ્યું. તમે અપાવેલા વિજયથી તેમને બહુમાન મળ્યું છે, તમે તેમને કીર્તિ અને ગૌરવ બક્ષો છો. તમે તેમને સર્વકાળ માટે આશિષો આપો છો. તમારી ઉપસ્થિતિથી તેમને પરમ આનંદ પમાડો છો. કારણ, રાજા પ્રભુ પર જ ભરોસો રાખે છે, અને સર્વોચ્ચ ઈશ્વરના પ્રેમને લીધે તે અડગ રહે છે. તમારો ભૂજ તમારા સર્વ શત્રુઓને પકડી પાડશે; તમારો જમણો હાથ તમારા દ્વેષીઓને શોધી કાઢશે. તમે કોપાયમાન થશો ત્યારે તેમને બળતી ભઠ્ઠી જેવા કરી દેશો. પ્રભુ પોતાના કોપમાં તેમને ભરખી જશે, અને અગ્નિ તેમને ભસ્મીભૂત કરી નાખશે. તમે તેમના સંતાનોને ધરતી પરથી મિટાવી દેશો, અને માનવજાતમાંથી તેમના વંશનો ઉચ્છેદ કરશો. તમારા શત્રુઓએ તમારું નુક્સાન કરવાની પેરવી કરી; તેમણે તમારી વિરુદ્ધ ષડયંત્રો રચ્યાં, પણ તેઓ સફળ થયા નહિ. તમે તેમનો સામનો કરવા ધનુષ્યની પણછ પર હાથ દેશો, તેથી તેમને પીછેહઠ કરવાની ફરજ પડશે. હે પ્રભુ, તમારા સામર્થ્યને લીધે તમે મહાન મનાઓ; અમે તમારા પરાક્રમનાં યશોગાન ગાઈશું. (સંગીત સંચાલક માટે સૂચના: પ્રભાતનાં હરણાં પ્રમાણે (હિબ્રૂ: અય્યેબેથ, હાશ-શાસર) દાવિદનું ગીત) મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? શું તમે મારાથી એટલા દૂર છો કે તમે મારો પોકાર અને આર્તનાદ સાંભળતા નથી? હે મારા ઈશ્વર, હું દિવસે પોકારું છું, પણ તમે મને ઉત્તર દેતા નથી; હું રાતેય અરજ કરું છું, પણ મને નિરાંત વળતી નથી. હે ઈશ્વર, તમે પવિત્ર છો; તમે તમારા લોક ઇઝરાયલનાં સ્તુતિગાન પર બિરાજમાન છો. અમારા પૂર્વજોએ તમારા પર જ ભરોસો મૂક્યો હતો. તેમણે તમારા પર આધાર રાખ્યો અને તમે તેમને ઉગાર્યા પણ ખરા. તેમણે તમને પોકાર કર્યો, એટલે તેઓ બચી ગયા. તેમણે તમારા પર ભરોસો મૂક્યો એટલે તેઓ નાસીપાસ થયા નહિ. પણ હું તો માણસ નહિ, પણ માત્ર કીડો છું; માણસો મને ધૂત્કારે છે અને લોકો મને તુચ્છ ગણે છે. મને જોનારા સૌ કોઈ મારી મજાક ઉડાવે છે, તેઓ મોં મચકોડે છે અને માથું ધૂણાવીને મહેણાં મારે છે. તેઓ કહે છે, “તેણે પ્રભુ પર આધાર રાખ્યો હોય તો તે તેને છોડાવે! તે પ્રભુનો માનીતો હોય તો ભલે તે તેને ઉગારે!” પણ તમારી કૃપાથી જ હું મારી માતાના ઉદરે જન્મ્યો, અને મારી શૈશવાસ્થામાં તમે જ મને મારી માની ગોદમાં સહીસલામત રાખ્યો. મેં જન્મથી જ તમારા પર આધાર રાખ્યો છે. મારી માતાના ઉદરમાં હતો ત્યારથી તમે મારા ઈશ્વર છો. સંકટ આવી પડયું છે અને કોઈ બેલી નથી, માટે મારાથી દૂર જશો નહિ. સાંઢોના મોટા ધણે મને ઘેરી લીધો છે; બાશાનપ્રદેશના હિંસક આખલાઓ મારી ચારે તરફ ફરી વળ્યા છે. ફાડી ખાનાર અને ગર્જનાર સિંહની જેમ તેઓ પોતાનાં મોં મારી સામે વિક્સે છે. વહી ગયેલા પાણીની જેમ મારું બળ ઓસરી ગયું છે; મારા હાડકાંના સર્વ સાંધા ઢીલા પડી ગયા છે, મારું હૃદય મીણ જેવું બની ગયું છે; અને મારી છાતીની અંદર પીગળી ગયું છે. મારું ગળું ઠીકરાની જેમ સાવ સુકાઈ ગયું છે. મારી જીભ તાળવે ચોંટી ગઈ છે; તમે જ મને કબરની ધૂળ ભેગો થવા દીધો છે: દુષ્ટોની ટોળકીએ મને ઘેરી લીધો છે, કૂતરાંની જેમ તેઓ મારી ચોપાસ ફરી વળ્યા છે; તેઓ સિંહની જેમ મારા હાથપગ ચીરી નાખે છે. મારાં બધાં જ હાડકાં ગણી શકાય તેમ છે, મારા શત્રુઓ મને ધારીધારીને જુએ છે. તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે, અને મારાં કપડાં માટે તેઓ ચિઠ્ઠીઓ નાખે છે. હે પ્રભુ, તમે મારાથી દૂર ન રહો, હે મારા બેલી, મારી મદદે દોડી આવો. તરવારથી મારા ગળાને બચાવો, અને કૂતરાના પંજાથી મારા એકલવાયા જીવને ઉગારો. મને આ સિંહોના મુખથી અને સાંઢોના શિંગથી બચાવો! અને હવે તમે મને ઉત્તર દીધો છે! તેથી હું મારા બધુંઓને તમારું નામ પ્રસિદ્ધ કરીશ; હું ભક્તોની સભામાં તમારી સ્તુતિ ગાઈશ. હે પ્રભુના ભક્તો, તમે તેમની સ્તુતિ કરો, હે યાકોબના વંશજો, તેમને ગૌરવ આપો, હે ઇઝરાયલના સર્વ લોકો, તમે તેમની આરાધના કરો. તે પીડિતની અવગણના કરતા નથી, અને તેનાં દુ:ખોને લીધે તેને ધૂત્કારતા નથી; તે પોતાનું મુખ તેનાથી છુપાવતા નથી, પરંતુ મદદ માટેનો તેનો પોકાર સાંભળે છે. ભરી ભક્તિસભામાં હું તમારાં સ્તુતિગીત ગાયાં કરીશ; તમારા ભક્તોની સમક્ષ હું મારી માનતાઓનાં અર્પણો ચઢાવી તેમને પૂરી કરીશ. તેમાંથી ગરીબો ધરાઈને ખાશે; પ્રભુને શોધનારા ભક્તો તેમની સ્તુતિ કરતાં કહેશે, “તેઓ સદા સુખમાં જીવો.” પૃથ્વીની સર્વ સીમાના લોકો પ્રભુને સંભારીને તેમની તરફ ફરશે; અન્ય સર્વ દેશોની બધી પ્રજાઓ તેમની આરાધના કરશે. કારણ કે રાજ્ય પ્રભુનું છે; તે જ બધી પ્રજાઓ પર શાસન કરે છે. પૃથ્વીના તાજામાજા લોકો પ્રભુને નમશે; કબરની ધૂળમાં જનારા પણ તેમની આગળ ધૂંટણ ટેકવશે. જેઓ જીવતા રહ્યા નથી તેમના વંશજો આવનાર પેઢીઓને પ્રભુની વાત પ્રગટ કરશે. *** તેઓ હવે પછી જન્મનાર લોકોને પ્રભુનો ઉદ્ધાર પ્રગટ કરીને કહેશે કે, ‘એ તો પ્રભુનું કાર્ય છે.’ (દાવિદનું ગીત) યાહવે મારા પાલક છે; તેથી મને કશી અછત પડશે નહિ. તે મને લીલાંછમ ઘાસનાં ચરાણોમાં ચરાવે છે, તે મને શાંત ઝરણા પાસે દોરી જાય છે, અને મારા પ્રાણને તાજગી બક્ષે છે. પોતાના નામને લીધે તે મને સીધી કેડીઓ પર ચલાવે છે. મારે ઘોર અંધારી ખીણમાંથી પસાર થવું પડે, તોયે મને કશા અનિષ્ટનો ડર લાગશે નહિ. કારણ, હે પ્રભુ, તમે મારી સાથે છો. તમારા હાથમાંની ડાંગ અને લાકડી મને સાંત્વન આપે છે. મારા શત્રુઓની નજર સામે જ તમે મારે વાસ્તે મિજબાની ગોઠવો છો! મારે માથે સુગંધી તેલ ચોળીને તમે મારું સ્વાગત કરો છો! અને મારો પ્યાલો છલકાઈ જાય ત્યાં સુધી ભરો છો! સાચે જ તમારી ભલાઈ અને તમારો પ્રેમ જીવનભર મારા સાથી બનશે અને હું સદાસર્વદા યાહવે ઘરમાં નિવાસ કરીશ. (દાવિદનું ગીત) પૃથ્વી અને તેનું સર્વસ્વ પ્રભુનાં છે; દુનિયા અને તેના પર વસનારાં બધાં તેમનાં જ છે. તેમણે પૃથ્વીની નીચેના જળનિધિનો પાયો નાખ્યો, અને તેની નીચેના જળપ્રવાહો પર તેને સ્થાપી. પ્રભુના સિયોનપર્વત પર કોણ ચઢી શકે? તેમના પવિત્રસ્થાનમાં કોણ ઊભું રહી શકે? એવા જનો કે જેમના હાથનાં કાર્ય શુદ્ધ હોય અને દયના વિચારો નિર્મળ હોય અને જેઓ મિથ્યા મૂર્તિઓ પર પોતાનું દિલ લગાડતા નથી કે જૂઠા સોગન ખાતા નથી. એવા જનો પ્રભુની આશિષ પ્રાપ્ત કરશે, અને તેમના ઉદ્ધારક ઈશ્વર તેમને નિર્દોષ જાહેર કરશે. આ તો એવી પેઢીના લોક છે જે ઈશ્વરને શોધે છે, અને યાકોબના ઈશ્વરના મુખનાં દર્શનની ઝંખના સેવે છે. (સેલાહ) હે દરવાજાઓ, તમારાં મસ્તક ઊંચા કરો, હે સનાતન દ્વારો, તમે પણ ઊંચાં થાઓ; જેથી ગૌરવી રાજા અંદર આવે. આ ગૌરવી રાજા કોણ છે? યાહવે, જે શક્તિશાળી અને પરાક્રમી છે; યાહવે, જે યુદ્ધમાં પરાક્રમી છે, તે જ તે છે. હે દરવાજાઓ, તમારાં મસ્તક ઊંચાં કરો, હે સનાતન દ્વારો, તમે પણ ઊંચાં થાઓ; જેથી ગૌરવી રાજા અંદર આવે. આ ગૌરવી રાજા કોણ છે? સેનાધિપતિ પ્રભુ! એ જ ગૌરવી રાજા છે. (સેલાહ) (દાવિદનું ગીત) હે પ્રભુ, હું મારા ખરા દયથી તમારી ઉપાસના કરું છું. હે મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું, મારી લાજ રાખજો; મારા શત્રુઓને મારા પર જયજયકાર કરવા ન દો. તમારા પર આશા રાખનારાઓ લજવાશે નહિ. પરંતુ, તમારો વિનાકારણ વિશ્વાસઘાત કરનારા લજવાશે. હે પ્રભુ, મને તમારો માર્ગ દર્શાવો; મને તમારા રસ્તાને અનુસરવાનું શીખવો. તમે મારા ઉદ્ધારક ઈશ્વર છો. મને તમારા સાચા માર્ગે ચાલતાં શીખવો, હું સદા તમારા પર આશા રાખું છું. હે પ્રભુ, તમારી રહેમ અને તમારા પ્રેમનું સ્મરણ કરો! એ તમે સદા દર્શાવતા રહો છો. મારી યુવાનીમાં કરેલાં પાપ અને અપરાધો સંભારશો નહિ, પણ હે પ્રભુ, તમારી ભલાઈ અને તમારા પ્રેમ પ્રમાણે મને સંભારો. પ્રભુ ભલા અને સાચા છે. તેથી તે પાપીઓને પોતાના માર્ગ વિષે શીખવશે. નમ્રજનોને તે સાચે માર્ગે દોરે છે અને તેમને પોતાના માર્ગ વિશે શીખવે છે. પ્રભુની આજ્ઞાઓ અને તેમનો કરાર પાળનારાઓને માટે તેમના માર્ગો પ્રેમ અને સચ્ચાઈપૂર્ણ છે. હે પ્રભુ, તમારા નામની ખાતર મારા મોટા અપરાધની મને ક્ષમા આપો. જો કોઈ પ્રભુનો આદરપૂર્વક ડર રાખે, તો પ્રભુ તેને કયો માર્ગ પસંદ કરવો તે શીખવશે. તે જાતે સુખી થશે; વળી, તેના વંશજો દેશનો વારસો પામશે. પ્રભુ તેમના ભક્તોને પોતાના ગૂઢ ઇરાદા જણાવે છે, અને તેમની સાથેના પોતાના કરારનું સમર્થન કરે છે. મારી મીટ સદા પ્રભુ પર મંડાયેલી છે: કારણ, તે જ મારા પગોને જાળમાંથી છોડાવનાર છે. હે પ્રભુ, મારા તરફ જુઓ અને મારા પ્રત્યે દયા દર્શાવો; કારણ, હું એકલવાયો અને દુ:ખી છું. મારા દયની પારાવાર વેદના દૂર કરો અને મારાં બધાં સંકટોમાંથી મને ઉગારો. મારાં દુ:ખો અને મુશ્કેલીઓ જુઓ; મારાં સર્વ પાપોની ક્ષમા આપો. મારા શત્રુઓની સંખ્યા કેટલી મોટી છે તે જુઓ; તેઓ મારી ક્રૂર ઘૃણા કરે છે મારા જીવની રક્ષા કરો અને મને છોડાવો; મારી લાજ રાખજો, કારણ, હું તમારે શરણે આવ્યો છું. પ્રામાણિક્તા અને સચ્ચાઈ મારું રક્ષણ કરો; કારણ, હું તમારી આશા રાખું છું. હે ઈશ્વર, તમારા લોક ઇઝરાયલને તેમનાં સર્વ સંકટોમાંથી છોડાવો. (દાવિદનું ગીત) હે પ્રભુ, તમારા ન્યાયચુકાદાથી મારું સમર્થન કરો; કારણ, હું નિખાલસપણે વર્ત્યો છું. મેં તમારા પર ભરોસો રાખ્યો છે અને હું ડગી ગયો નથી. હે પ્રભુ, મારી પારખ કરો અને મને ક્સી જુઓ; કેમ કે હું તમારો પ્રેમ મારી નજરે નિહાળું છું, અને હું તમારા સત્ય માર્ગે ચાલું છું. હું જૂઠા માણસોની સાથે બેઠો નથી. અને દંભીઓની સોબતમાં ભળ્યો નથી. હું દુર્જનોની સંગત ધિક્કારું છું, અને દુષ્ટો સાથે વાસ કરતો નથી. મારી નિર્દોષતા જાહેર કરવા હું મારા હાથ ધોઈ નાખીશ; હે પ્રભુ, જનસમુદાય સાથે તમારી વેદીની પ્રદક્ષિણા કરીશ. હું મોટે સાદે તમારા ધન્યવાદનાં ગીતો ગાઈશ, અને તમારાં સર્વ અદ્‍ભુત કાર્યો પ્રગટ કરીશ. હે પ્રભુ, હું તમારા ભવ્ય મંદિરને ચાહું છું; જે ધામમાં તમારું ગૌરવ વસે છે તે મને પ્રિય છે. પાપીઓ સાથે મારા પ્રાણનો અને ઘાતકી લોકો સાથે મારા જીવનો નાશ કરી દેતા નહિ. તેમના ડાબા હાથ દુરાચારથી ખરડાયેલા છે, અને તેમના જમણા હાથ લાંચથી ભરેલા છે. પરંતુ મારું વર્તન દોષરહિત રહેશે; મારા પર દયા દર્શાવીને મને છોડાવી લો. મારા પગ સમતલ ભૂમિ પર ઊભા છે; હું ભક્તોની મોટી સભામાં પ્રભુની સ્તુતિ કરીશ. (દાવિદનું ગીત) પ્રભુ મારો પ્રકાશ અને મારો ઉદ્ધાર છે! મને કોનો ડર લાગે? પ્રભુ મારા જીવન રક્ષક છે; હું કોનાથી ભય પામું? જ્યારે દુર્જનો એટલે મારા વેરીઓ તથા શત્રુઓએ મને ખતમ કરવા મારા પર હિંસક હુમલો કર્યો, ત્યારે તેઓ ઠોકર ખાઈને ગબડી પડયા. જો કે આખું સૈન્ય મને ઘેરી વળે, તો યે મારું હૃદય ભયભીત થશે નહિ; જો કે મારી વિરુદ્ધ યુદ્ધ જાગે, તો યે હું ઈશ્વર પર ભરોસો રાખીશ. પ્રભુ પાસે મેં માત્ર એક વરદાન માગ્યા કર્યું છે, અને હું તેની જ ઝંખના રાખું છું; એટલે કે, પ્રભુનું ઘર મારું જીવનભરનું નિવાસ્થાન થાય; જેથી હું પ્રભુના સૌંદર્યનું અવલોકન કરું, અને તેમના મંદિરમાં તેમનું ધ્યાન ધરું! સાચે જ સંકટને સમયે પ્રભુ મને પોતાના નિવાસસ્થાનમાં સંતાડશે; તે મને પોતાના મંડપના આવરણ તળે છુપાવશે; અને ઊંચા ખડક પર મને સુરક્ષિત રાખશે. તેથી મારી આસપાસના શત્રુઓ પર મારું મસ્તક ઊંચું ઉઠાવવામાં આવશે અને હું પ્રભુના મંડપમાં હર્ષનાદ સહિત બલિ ચડાવીશ. હું ગીતો ગાઈશ, હા, હું પ્રભુનાં યશોગાન ગાઈશ. હે પ્રભુ, હું પોકાર કરું ત્યારે મારો સાદ સાંભળો; કૃપા કરી મને ઉત્તર આપો. મારા દયે મને કહ્યું હતું, “ચાલ, પ્રભુનું મુખ શોધ.” તેથી હે પ્રભુ, હું તમારું જ મુખ શોધું છું. તમારું મુખ મારાથી સતાડશો નહિ. તમારા ક્રોધમાં મને, તમારા સેવકને કાઢી મૂકશો નહિ; કારણ, તમે જ મારા બેલી છો. હે મારા મુક્તિદાતા ઈશ્વર, મને તજી ન દો, મારો ત્યાગ ન કરો. મારાં માતપિતા ભલે મારો ત્યાગ કરે, પરંતુ પ્રભુ મારી સંભાળ રાખશે. હે પ્રભુ, મને તમારા માર્ગ વિષે શીખવો; મને સરળ માર્ગે દોરો, કારણ, મારા શત્રુઓ ઘણા છે. મારા શત્રુઓના હાથમાં મને સોંપી ન દો, કારણ, જૂઠા સાક્ષીઓ મારી વિરુદ્ધ ઊભા થયા છે અને તેઓ હિંસા આચરવા તત્પર છે. દુનિયામાંના આ જીવનમાં જ હું પ્રભુની ભલાઈનો અનુભવ કરીશ એવો મને હજી યે વિશ્વાસ છે. પ્રભુની રાહ જો; બળવાન બન, હિમ્મતવાન થા; હવે પ્રભુની જ રાહ જો. (દાવિદનું ગીત) હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું. હે મારા સંરક્ષક ખડક, મારા પોકાર પ્રત્યે કાન દો. જો તમે મૌન રહીને મને ઉત્તર નહિ આપો, તો હું કબરમાં ઉતારી દેવાતા શબ જેવો થઈ જઈશ. હું તમને અરજ કરું છું તથા તમારા પરમપવિત્રસ્થાન તરફ હાથ જોડીને પ્રાર્થના કરું છું; તેથી મારી વિનંતીનો પોકાર સાંભળો. જેઓ પડોશી સાથે મોંએ મીઠું બોલે પણ હૃદયમાં કપટ રાખે એવા દુષ્ટો અને દુરાચારીઓ સાથે મને હડસેેલી દેશો નહિ. તેમનાં કૃત્યો પ્રમાણે ને તેમનાં કામોની દુષ્ટતા પ્રમાણે તેમને સજા કરો. તેમના હાથોનાં કાર્યો પ્રમાણે તેમને શિક્ષા કરો અને તેમને યોગ્ય બદલો વાળી આપો! હે પ્રભુ, તેઓ તમારાં કાર્યો, એટલે તમારા હાથનાં કાર્યો ધ્યાનમાં લેતા નથી; તેથી તમે તેમને તોડી પાડો અને ફરીથી સ્થાપન ન કરો. પ્રભુને ધન્ય હો, કેમ કે તેમણે મારી વિનંતીનો પોકાર સાંભળ્યો છે. પ્રભુ મારું બળ અને મારી સંરક્ષક ઢાલ છે, મારું હૃદય તેમના પર જ ભરોસો રાખે છે; તેમણે મને સહાય કરી છે અને તેથી મારું હૃદય અત્યંત આનંદ કરે છે; હું ગીત ગાઈને તેમને ધન્યવાદ આપીશ. પ્રભુ પોતાના લોકનું સામર્થ્ય છે, અને પોતાના અભિષિક્ત રાજા માટે શરણગઢ છે. હે પ્રભુ, તમારા લોકોને ઉગારો, અને તમારા વારસાને આશિષ આપો; તમે તેમનું પાલન કરો અને સાચવો. (દાવિદનું ગીત) હે સ્વર્ગીય દૂતો, પ્રભુને સન્માન આપો. ગૌરવ અને સામર્થ્ય પ્રભુનાં છે એવું સ્વીકારી તેમને સન્માનો. યાહવેનું નામ કેવું ગૌરવી છે તે ઘોષિત કરો. પ્રભુની ગર્જના સમુદ્રો પર ગર્જે છે; ગૌરવી ઈશ્વર ગર્જે છે; પ્રભુ મહાસાગરો પર ગર્જે છે; પ્રભુની ગર્જના શક્તિશાળી છે. પ્રભુની ગર્જના મહત્તાથી ભરપૂર છે. પ્રભુની ગર્જના મજબૂત ગંધતરુઓને ભાંગી નાખે છે. તે લબાલોનના મજબૂત ગંધતરુઓના ચૂરેચૂરા કરી નાખે છે. તે લબાનોનના પર્વતોને વાછરડાની જેમ અને સિયોન પર્વતને આખલાના બચ્ચાંની જેમ કૂદાવે છે. પ્રભુની ગર્જના વીજળીના ચમકારા ફેલાવે છે. પ્રભુની ગર્જના વેરાનપ્રદેશને ધ્રુજાવે છે, પ્રભુ કાદેશના વેરાનપ્રદેશને થથરાવે છે. પ્રભુની ગર્જના મજબૂત એલોનવૃક્ષોને હચમચાવી નાખે છે, અને વનવૃક્ષોનાં ડાળપાંદડાં ખરી પડે છે. તે સમયે તેમના મંદિરમાં સઘળા પોકારે છે: “ગૌરવ” પ્રભુ જળપ્રલય પર સત્તા ચલાવે છે. પ્રભુ સદાસર્વદા રાજા તરીકે બિરાજમાન છે: પ્રભુ પોતાના લોકને બળવાન કરો. પ્રભુ પોતાના લોકને કલ્યાણનો આશીર્વાદ આપો. (મંદિરના સમર્પણ સમયનું ગીત: દાવિદનું ગીત) હે પ્રભુ, હું તમારી પ્રશંસા કરું છું; કારણ કે તમે તો મને ઘોરમાંથી ઉપર ખેંચી લીધો છે. અને મારા શત્રુઓને મારા પર આનંદ કરવા દીધો નથી. હે પ્રભુ, મારા ઈશ્વર, મેં તમને અરજ કરી અને તમે મને સાજો કર્યો છે. હે પ્રભુ, તમે મારા પ્રાણને મૃત્યુલોક શેઓલમાંથી ઉપર ઉઠાવી લીધો. હું તો ઘોરમાં જવાની તૈયારીમાં હતો, પણ તમે મને નવજીવન બક્ષ્યું છે. હે પ્રભુના સંતો, તમે તેમનાં યશોગાન ગાઓ; તેમના પવિત્ર નામનું સ્મરણ કરીને તેમનો આભાર માનો. કારણ કે તેમનો કોપ ક્ષણિક છે, પણ તેમની કૃપા જીવનભર ટકે છે. રાત રુદનમાં વીતે, પણ સવારે હર્ષનાદ થાય છે. મેં તો મારી આબાદીના સમયે વિચારેલું કે, “હું કદી ડગીશ નહિ.” હે પ્રભુ, તમે મને તમારી કૃપાથી પર્વતો જેવો વધારે અડગ બનાવ્યો; પણ તમે મારાથી વિમુખ થયા કે હું નાસીપાસ થઈ ગયો. પણ પ્રભુ, મેં તમને પોકાર કર્યો, અને તમારી દયા માટે આજીજી કરીને કહ્યું કે, “જો હું કબર ભેગો થાઉં તો મારા મરણથી તમને શો લાભ થાય? શું મારી ધૂળ તમને ધન્યવાદ આપશે? શું તે તમારું વિશ્વાસુપણું પ્રસિદ્ધ કરશે?” હે પ્રભુ, તમે મારી અરજ સાંભળો અને મારા પર દયા કરો; હે પ્રભુ, તમે મારા બેલી થાઓ. પછી તો તમે મને વિલાપને બદલે નૃત્ય આપ્યું; મારા ટાટનાં શોકવ ઉતારીને મને આનંદનાં વસ્ત્રો પહેરાવ્યાં છે. તેથી મારું સમસ્ત વ્યક્તિત્વ તમારી સ્તુતિ ગાશે અને મૌન રહેશે નહિ; હે મારા ઈશ્વર પ્રભુ, હું સદા સર્વદા તમને ધન્યવાદ આપીશ. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) હે પ્રભુ, હું તમારે શરણે આવ્યો છું; મને કદી લજ્જિત થવા ન દો. તમારા વિશ્વાસુપણાને લીધે મને ઉગારો. મારી તરફ કાન ધરો અને મને સત્વરે છોડાવો; તમે મારા રક્ષણનો મજબૂત ગઢ અને બચાવનો કિલ્લો બનો. સાચે જ તમે મારે માટે ગઢ અને કિલ્લા સમાન છો; તમારા નામની કીર્તિને લીધે મને માર્ગ ચીંધો અને તે પર ચલાવો. મારા શત્રુઓએ ગુપ્ત રીતે પાથરેલી જાળમાંથી તમે મને મુક્ત કરો, કારણ કે તમે જ મારા આશ્રય છો. તમારા હાથમાં મારો આત્મા સોંપું છું; હે પ્રભુ, વિશ્વાસુ ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કરો. વ્યર્થ મૂર્તિઓ પર આધાર રાખનારાઓને હું ધિક્કારું છું અને હું પ્રભુ પર જ ભરોસો રાખું છું. તમારા પ્રેમને લીધે હું હર્ષાનંદ કરીશ. કારણ, તમે મારું દુ:ખ જોયું છે, અને મારી વિપત્તિઓ ધ્યાનમાં લીધી છે. તમે મને મારા શત્રુઓના હાથમાં સપડાવા દીધો નથી, અને તમે મારા પગને મુક્ત કરીને મને પૂરી મોકળાશ આપી છે. હે પ્રભુ, મારા પર દયા કરો; કારણ, હું સંકટમાં છું; ખેદથી મારાં ચક્ષુ ક્ષીણ થયાં છે, અને મારું ગળું તેમજ ઉદર સુકાઈ ગયાં છે. વેદનાથી મારી જિંદગી અને નિસાસાથી મારું આયુષ્ય ઘટી રહ્યાં છે; મારી વિપત્તિઓને લીધે મારું બળ ઓસરી ગયું છે અને મારાં હાડકાં ક્ષીણ થયાં છે. મારા શત્રુઓ મારી મજાક ઉડાવે છે, અને મારા પાડોશીઓ મારો તુચ્છકાર કરે છે; મારા મિત્રોને મારા પ્રત્યે કમકમાટી ઊપજે છે, અને શેરીમાં મને જોતાંની સાથે જ સૌ નાસે છે. હું જાણે હયાત ન હોઉં એમ લોકોના મનમાંથી વિસરાઈ ગયો છું; હું તેમને માટે ભંગિત પાત્રો જેવો નકામો થઈ ગયો છું. મને મારા ઘણા શત્રુની ગુસપુસ સંભળાય છે. મારી ચારે બાજુએ આંતક છે. તેઓ સાથે મળીને મારી વિરુદ્ધ કાવતરું ઘડે છે, અને મારો જીવ લેવા પ્રપંચ કરે છે. પણ પ્રભુ, હું તો તમારા પર જ ભરોસો રાખું છું; હું કબૂલ કરું છું કે, “તમે જ મારા ઈશ્વર છો!” મારા જીવનના સર્વ સંજોગો તમારા હાથમાં છે. મને સતાવનારા મારા શત્રુઓના હાથમાંથી મને છોડાવો. તમારા આ સેવક પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો; તમારા પ્રેમને લીધે મારો ઉદ્ધાર કરો. હે પ્રભુ, મને લજ્જિત થવા ન દો, કારણ, હું તમને પોકારું છું. પણ દુષ્ટો લજવાઓ અને મૃત્યુલોક શેઓલમાં ધકેલાઈ જઈને મૂંગા બનો. નેક માણસો વિરુદ્ધ અહંકારથી, ઘૃણાથી અને ઉદ્ધતાઈપૂર્વક બોલનારા જૂઠા હોઠો મૂક બની જાઓ. તમારા ભક્તો માટે તમારી ભલાઈનો ભર્યોભાદર્યો ભંડાર કેવો અખૂટ છે! લોકોના દેખતાં તમારો આશ્રય મેળવનાર સૌના પ્રત્યે તમે ભલાઈ દાખવો છો. તમે તેમને માણસો કાવતરાંથી તમારી હાજરીના ઓથે સંતાડશો; અને તેમને જીભના કંક્સથી તમારી છત્રછાયા નીચે સંભાળશો. પ્રભુની સ્તુતિ થાઓ! ઘેરાયેલ નગરની જેમ હું ભીંસમાં આવી પડ્યો ત્યારે તેમણે પોતાનો પ્રેમ અદ્‍ભુત રીતે દર્શાવ્યો. હું તો ગભરાટમાં બોલી ઊઠયો કે હું તમારી દૃષ્ટિથી દૂર ફેંકાઈ ગયો છું; પરંતુ જ્યારે મેં સહાય માટે વિનંતી કરી ત્યારે તમે મારી અરજનો પોકાર સાંભળ્યો છે. હે પ્રભુના સર્વ સંતો, તમે તેમના પર પ્રીતિ રાખો. પ્રભુ તેમના નિષ્ઠાવાન લોકનું રક્ષણ કરે છે. પરંતુ અહંકારથી વર્તનારાઓને પૂરેપૂરી સજા કરે છે. હે પ્રભુ પર આશા રાખનારા લોકો, બળવાન બનો અને તમારા હૈયે હિંમત ધરો. (દાવિદનું ગીત: માસ્કીલ) ધન્ય છે એ વ્યક્તિને કે, જેનો અપરાધ પ્રભુએ માફ કર્યો છે, અને જેનું પાપ પ્રભુએ ભૂંસી નાખ્યું છે. ધન્ય છે એ વ્યક્તિને કે જેના પર પ્રભુ ભૂંડાઈ આચરવાનો દોષ મૂક્તા નથી, અને જેનાં હૃદયમાં કંઈ કપટ નથી. હું પાપની કબૂલાત કરવાને બદલે ચૂપ રહ્યો ત્યારે મારાં અસ્થિ ર્જીણ થવા લાગ્યાં. કારણ કે, હું આખો દિવસ કણસતો હતો. કારણ, રાતદિવસ તમારી ભારે શિક્ષાનો હાથ મારા પર હતો. ઉનાળાની ગરમીમાં ભેજ સુકાઈ જાય તેમ મારું બળ સુકાઈ ગયું. (સેલાહ) પછી મેં તમારી આગળ મારાં પાપની કબૂલાત કરી, અને મેં મારો દોષ છુપાવ્યો નહિ; કારણ તમારી આગળ મેં મારા અપરાધનો એકરાર કરવાનો નિર્ધાર કર્યો હતો; તેથી તમે મારાં પાપનો દોષ માફ કર્યો. (સેલાહ) તેથી તમારા પ્રત્યેક ભક્તે પોતાનાં પાપનું ભાન થતાં જ પ્રાર્થના કરવી જોઈએ; પછી તો ઘોડાપૂર ધસી આવે તો પણ તે તેને પહોંચશે નહિ. તમે મારું સંતાવાનું સ્થાન છો. તમે મને સંકટમાંથી ઉગારશો, અને ઉદ્ધારના પોકારો કરનારાથી મને ઘેરી લેશો. (સેલાહ) પ્રભુ કહે છે, ‘તારે કયે માર્ગે ચાલવું તે હું તને શીખવીશ અને તે પર તને દોરીશ. તારા પર મારી નજર સતત રાખીને હું તને સલાહ આપીશ.’ ઘોડા કે ખચ્ચરને વશમાં રાખવા માટે ચોકઠા કે લગામની જરૂર પડે, નહિ તો તે તારી પાસે આવે નહિ; તેવો તું ન થાય. દુષ્ટોને ઘણાં દુ:ખો ઘેરી વળે છે, પરંતુ પ્રભુ પર ભરોસો રાખનારાઓ તેમના પ્રેમથી ઘેરાશે. હે નેક જનો, પ્રભુમાં આનંદ કરો અને હરખાઓ; હે સરળ દયના લોકો, જય જયકાર કરો. હે નેકજનો, પ્રભુમાં આનંદ કરો; હે પ્રામાણિકજનો, સ્તુતિ કરવી એ જ તમને શોભે! તાનપુરો વગાડીને પ્રભુને ધન્યવાદ આપો; દશ તારવાળી વીણા વગાડીને તેમની સ્તુતિ ગાઓ. પ્રભુની સમક્ષ નવું ગીત ગાઓ; વાજિંત્રો નિપુણતાથી વગાડો અને આનંદના પોકાર કરો. કેમ કે પ્રભુનો શબ્દ સચોટ છે, અને તેમનાં સર્વ કાર્યો તેમનું વિશ્વાસુપણું દર્શાવે છે. તે નેક અને ન્યાયી વર્તન કરનાર લોકોને ચાહે છે, અને પૃથ્વી તેમના પ્રેમથી છલક્ય છે. પ્રભુના શબ્દથી આકાશો અને તેમના મુખની આજ્ઞાથી સૂર્ય, ચંદ્ર અને સર્વ તારાગણો ઉત્પન્‍ન થયા. તેમણે સમુદ્રનાં પાણી જાણે મશકમાં ભરતા હોય તેમ એકઠાં કર્યાં, અને પાતાળનાં પાણી જાણે કે વખારોમાં સંગ્રહ કરતા હોય તેમ ભરી દીધાં. સમસ્ત સૃષ્ટિ પ્રભુનું ભય રાખો, અને પૃથ્વીના સર્વ લોકો તેમનું ડરપૂર્વક સન્માન કરો. તે બોલ્યા કે સૃષ્ટિ ઉત્પન્‍ન થઈ; તેમણે આજ્ઞા કરી કે તે અસ્તિત્વમાં આવી. પ્રભુ વિધર્મી રાષ્ટ્રોના ઇરાદાને નિષ્ફળ કરે છે, અને તે પ્રજાઓની યોજનાઓને નિરર્થક બનાવે છે. પરંતુ પ્રભુનો ઇરાદો સદાસર્વદા અટલ છે, અને તેમની યોજનાઓ પેઢી દરપેઢી ટકે છે. જે રાષ્ટ્રના ઈશ્વર પ્રભુ છે, અને જે પ્રજાને તેમણે પોતાના વારસા તરીકે પસંદ કરી છે તેને ધન્ય છે! પ્રભુ સ્વર્ગમાંથી નીચે જુએ છે તે સર્વ મનુષ્યોને નિહાળે છે. પોતાના રાજ્યાસન પર તે બિરાજમાન છે. ત્યાંથી તે પૃથ્વીના સર્વ લોકોને જુએ છે. તે એકલા જ સર્વ હૃદયોના ઘડનાર છે, અને તે તેમનાં સર્વ કાર્યોને પારખે છે. કોઈ રાજા માત્ર પોતાના મોટા સૈન્યને લીધે જ વિજય પામતો નથી; કોઈ સૈનિક પોતાના બળને આધારે જ શત્રુથી બચી જતો નથી. યુદ્ધમાં વિજય માટે અશ્વદળ પર રાખેલી આશા નિરર્થક છે; ઘોડો પોતાની તાક્તથી તેના સવાર સૈનિકને ઉગારી શક્તો નથી. યાદ રાખો, પ્રભુની અમીદષ્ટિ તેમના ભક્તો પર અને તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓ પર છે. ઈશ્વર તેમને કમોતથી ઉગારે છે અને તેમને દુકાળમાં પણ જીવતા રાખે છે. આપણે પ્રભુની પ્રતીક્ષા કરીએ છીએ; તે જ આપણા બેલી અને સંરક્ષક ઢાલ છે. સાચે જ આપણાં હૃદયો તેમને લીધે આનંદ કરશે; કારણ, આપણે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે. હે પ્રભુ, તમારો પ્રેમ અમારા પર રહો; કારણ, અમે તમારા પર જ આશા રાખીએ છીએ. (દાવિદનું ગીત: જ્યારે અલિમેલેખ રાજા સમક્ષ દાવિદે પાગલ હોવાનો ઢોંગ કર્યો ત્યારે તેણે દાવિદને કાઢી મૂક્યો અને દાવિદ જતો રહ્યો. તે સમયનું ગીત.) હું સર્વ સમયે પ્રભુને ધન્યવાદ આપીશ, અને મારે મુખે તેમની સ્તુતિનું રટણ નિરંતર રહેશે. મારો આત્મા પ્રભુને લીધે ગર્વ કરશે; પીડિતજનો તે સાંભળે અને આનંદ કરે. મારી સાથે પ્રભુને મહાન માનો. આપણે સૌ સાથે મળીને તેમનું નામ ઉન્‍નત માનીએ. મેં પ્રભુની શોધ કરી, એટલે તેમણે મને પ્રત્યુત્તર આપ્યો અને મારા સર્વ આતંકમાંથી તેમણે મને મુક્ત કર્યો. પીડિતો પ્રભુ તરફ જોઈને પ્રકાશિત થયા છે, હવેથી તેમનાં મુખ લજવાઈને ઝંખવાણાં પડશે નહિ. આ પીડિતજને પોકાર કર્યો ત્યારે પ્રભુએ તે સાંભળ્યો અને તેનાં સર્વ સંકટમાંથી તેને ઉગારી લીધો. પ્રભુના ભક્તોની આસપાસ તેમનો દૂત ચોકી કરે છે અને તેમને જોખમમાંથી ઉગારે છે. અનુભવ કરો અને જુઓ કે પ્રભુ કેવા મધુર છે! તેમનો આશરો લેનારને ધન્ય છે! હે પ્રભુના સંતો, તમે તેમનો ડર રાખો; કેમ કે તેમનો ડર રાખનારાઓને કંઈ અછત હોતી નથી. યુવાન સિંહોને પણ ખોરાકના અભાવે ભૂખ્યા રહેવું પડે, પરંતુ પ્રભુના ભક્તોને તો કોઈ સારાં વાનાંની અછત પડશે નહિ. મારા શિષ્યો આવો, મારી વાત સાંભળો; હું તમને પ્રભુનો આદરયુક્ત ડર રાખતાં શીખવીશ. કોને જીવનનો આનંદ માણવો છે? કોણ આબાદી ભોગવવા દીર્ઘાયુષ્ય ચાહે છે? તો તમારી જીભને ભૂંડાઈથી સાચવો અને તમારા હોઠોને કપટી વાત બોલતાં અટકાવો. દુરાચાર તજો અને ભલાઈ કરો. લોકોનું કલ્યાણ શોધો અને તેની પાછળ લાગો. નેકીવાનો પર પ્રભુની મીટ મંડાયેલી છે, અને તેમના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે; પરંતુ પ્રભુ દુરાચારીઓની વિરુદ્ધ છે, અને તે પૃથ્વી પરથી તેમનું સ્મરણમાત્ર ભૂંસી નાખે છે. પ્રભુ નેકીવાનોની અરજ સાંભળે છે, અને તેમનાં સર્વ સંકટોમાંથી તેમને ઉગારે છે. પ્રભુ જેમનાં મન દુ:ખથી ભાંગી પડયાં છે તેમની નિકટ છે, અને જેમનો આત્મા દુ:ખમાં દબાઈ ગયો છે તેમને તે બચાવે છે. નેકીવાન પર ઘણાં દુ:ખો આવી પડે છે, પરંતુ પ્રભુ એ સર્વમાંથી તેને ઉગારે છે. તે તેનાં સર્વ હાડકાંને સાચવે છે, અને તેમાંનું એકે ય ભંગાતું નથી. દુષ્ટોને તો તેમની ભૂંડાઈ જ હણી નાખશે, અને નેકીવાનોને ધૂત્કારનારા સજા પામશે. પ્રભુ પોતાના સેવકોના પ્રાણનો ઉદ્ધાર કરે છે, અને તેમનો આશરો લેનારાઓમાંનો એકેય સજા પામશે નહિ. (દાવિદનું ગીત) હે પ્રભુ, મારી સાથે વિવાદ કરનારાઓની સાથે તમે વિવાદ કરો. મારી સાથે લડનારાઓની સામે તમે લડો. ઊઠો! ઢાલ અને બખ્તર સજીને મારી વહારે આવો. મારો પીછો કરનારાઓનો સામનો કરવા તમારાં ભાલો અને ફરસી ઉપાડો! મને હૈયાધારણ આપો કે તમે જ મારા ઉદ્ધારક છો. જેઓ મારો જીવ લેવા યત્ન કરે છે તેમને તમે લજ્જિત અને અપમાનિત કરો. જેઓ મારું ભૂડું કરવાની પેરવી કરે છે, તેમને તમે ગૂંચમાં નાખીને નસાડી મૂકો. તેઓ પવનમાં ઊડી જતા તણખલા જેવા થાઓ, અને પ્રભુનો દૂત તેમને હાંકી કાઢો. તેમનો માર્ગ અંધકારમય તથા લપસણો થાઓ, અને પ્રભુનો દૂત તેમનો પીછો પકડો. વિનાકારણ તેમણે મારે માટે જાળ પાથરી છે, અને વિનાકારણ મારો જીવ લેવા ખાડો ખોદ્યો છે. તેમના પર ઓચિંતો વિનાશ આવી પડો, અને તેમણે સંતાડેલી જાળમાં તેઓ જાતે જ સપડાઈ જાઓ; તેમાં પડીને તેમની પાયમાલી થાઓ! ત્યારે મારો જીવ પ્રભુને લીધે આનંદથી ગાશે, અને તેમણે કરેલા ઉદ્ધારને લીધે હરખાશે. હું મારા પૂરા અંત:કરણથી કહીશ કે, “હે પ્રભુ, તમારા સમાન કોણ છે?” તમે નિર્બળને બળવાનના સકંજામાંથી ઉગારો છો, અને પીડિત તથા કંગાલને તેમને લૂંટનારાના હાથમાંથી છોડાવો છો. દુષ્ટો મારી વિરુદ્ધ જુબાની આપે છે; મને જાણ નથી એવા ગુનાઓ વિષે તેઓ મારી ઊલટતપાસ કરે છે. તેઓ મારી ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે અને મારો જીવ હતાશામાં ડૂબી ગયો છે. પરંતુ તેઓ માંદા પડતા ત્યારે હું શોકમાં કંતાન ઓઢતો, ઉપવાસથી મારા જીવને કષ્ટ આપતો, અને માથું ખોળામાં ઢાળીને પ્રાર્થના કર્યા કરતો. મારો કોઈ મિત્ર કે સગો ભાઈ બીમાર હોય તેમ હું ખિન્‍ન થતો; પોતાની મા માટે વિલાપ કરનારની જેમ હું ભૂમિ પર મસ્તક ટેકવીને શોક કર્યા કરતો. પરંતુ હું લથડી પડયો ત્યારે તેમણે ટોળે મળીને કિલકારીઓ કરી, તેઓ મારી આસપાસ ઠેકડી કરવા એકત્ર થયા; મારાથી અજાણ્યા લોકોએ મારા પર પ્રહાર કર્યા અને મને મારીમારીને મારી ચામડી ઊતરડી નાખી. ઈશ્વરનિંદકોની જેમ મારી ઠેકડી ઉડાડનારા મને ઘેરી વળ્યા છે અને ગુસ્સામાં પોતાના દાંત મારી સામે પીસે છે. હે પ્રભુ, તમે ક્યાં સુધી આ બધું જોયા કરશો? તેમના હિંસક હુમલાથી મારા પ્રાણને અને સિંહોથી મારા જીવને બચાવો. પછી મોટી સભામાં હું તમારો આભાર માનીશ અને વિશાળ જનસમુદાયમાં હું તમારી સ્તુતિ કરીશ. મારા કપટી શત્રુઓને મારા ઉપર આનંદ કરવા ન દો, એને વિનાકારણે મારો દ્વેષ કરનારા તેમની આંખના મિચકારા ન મારે. તેમના બોલવામાં જરાય શુભેચ્છા નથી. અને બદલે, શાંતિપ્રિય જનોની વિરુદ્ધ તેઓ પ્રપંચ રચે છે. તેઓ મારી વિરુદ્ધ ઘાંટા પાડી પાડીને બોલે છે; તેઓ કહે છે, “આહા, આહા, તારું અધમ કામ અમે નજરોનજર જોયું છે.” હે પ્રભુ, તમે આ જુઓ છો; તમે મૌન રહેશો નહિ. હે પ્રભુ, મારાથી દૂર થશો નહિ. મને ન્યાય અપાવવા જાગ્રત થાઓ. હે મારા ઈશ્વર અને મારા સ્વામી, મારા દાવાનો ઉકેલ લાવો. હે પ્રભુ, તમારી ન્યાયપ્રિયતાથી મારું સમર્થન કરો; હે મારા ઈશ્વર, મારા શત્રુઓને મારા પર આનંદ કરવા ન દો. તેઓ પોતાના મનમાં એમ ન કહે કે, “આહા, અમારી ઇચ્છા ફળી છે,” અને તેઓ એમ ન કહે કે, “અમે તેને ગળી ગયા છીએ.” મારા સંકટમાં આનંદ કરનારાઓને તમે લજ્જિત કરો અને મૂંઝવી દો, મારા પર રૂઆબ કરનારાઓને તમે શરમિંદા અને અપમાનિત કરો. પરંતુ મારા ઉદ્ધારના શુભેચ્છકો આનંદથી જયજયકાર કરો, અને તેઓ સદા કહો કે, “પોતાના ભક્તના કલ્યાણમાં રાચનાર પ્રભુ મહાન મનાઓ.” ત્યારે મારી જીભ તમારી ન્યાયપરાયણતા પ્રગટ કરશે અને આખો દિવસ તમારાં સ્તોત્ર ગાશે. (સંગીત સંચાલક પ્રતિ: પ્રભુના સેવક દાવિદનું ગીત) અપરાધ દુષ્ટના દયને પ્રેરે છે, તેની દષ્ટિમાં ઈશ્વરનો ભય છે જ નહિ. તે પોતાના મનમાં અહંકાર કરે છે કે, ન તો તેનો અપરાધ જડશે, ન તો તેનો તિરસ્કાર થશે. તેના મુખના શબ્દો નઠારા અને ઠગારા છે. તેણે ડહાપણભર્યા વર્તાવ અને ભલાઈને તિલાંજલિ આપી છે. તે પોતાના બિછાના પર હાનિકારક પ્રપંચ યોજે છે, તે અવળે માર્ગે ચઢી ગયો છે; અને ભૂંડાઈને તજતો નથી. હે પ્રભુ, તમારો પ્રેમ આકાશો સુધી પ્રસરેલો છે, અને તમારું વિશ્વાસુપણું વાદળાંને આંબે છે. તમારી ન્યાયશીલતા ઊંચા પર્વતોના જેવી મહાન છે અને તમારા ન્યાયચુકાદા અગાધ ઊંડાણ જેવા ગહન છે. હે પ્રભુ, તમે મનુષ્યો અને પશુઓની સંભાળ લો છો. હે ઈશ્વર, તમારો પ્રેમ કેવો અમૂલ્ય છે. તમારી પાંખોની છાયામાં મનુષ્યો આશ્રય લે છે. તેઓ તમારા ઘરની વિપુલતાથી ધરાશે, અને તમારા આહ્લાદક ઝરણાંમાંથી પીને તૃપ્ત થશે. કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે અને તમારા પ્રકાશને લીધે અમે પ્રકાશ જોઈશું. તમારા અનુભવમાં આવેલાઓ પર તમારો પ્રેમ અને નિખાલસ દિલવાળા પર તમારું વિશ્વાસુપણું જારી રાખજો. ગર્વિષ્ટોના પગ મને કચડી ન નાખે, તથા દુષ્ટોના હાથ મને હાંકી ન કાઢે તેવું થવા દો. જુઓ, દુષ્ટો કેવા પડી ગયા છે! તેઓ નીચે પછાડાયા છે અને પાછા ઊઠી શકશે નહિ. (દાવિદનું ગીત) દુષ્ટો ફાવી જાય તેને લીધે તું ખીજવાઈશ નહિ, અને અનીતિ આચરનારાઓની ઈર્ષા કરીશ નહિ. કારણ કે તેઓ થોડીવારમાં ઘાસની જેમ સુકાઈ જશે, અને લીલોતરીની જેમ ચીમળાઈ જશે. પ્રભુ પર ભરોસો રાખ, અને ભલું કર; વચનના પ્રદેશમાં વાસ કર અને તેની વિપુલતા ભોગવ. પ્રભુમાં મગ્ન રહે; અને તે તારા દયની આકાંક્ષાઓ પૂરી પાડશે. તારું ભાવિ જીવન પ્રભુને સોંપ; તેમના પર ભરોસો રાખ, એટલે તે તને સહાય કરશે. તે તારી નેકીને સવારના પ્રકાશની જેમ, અને તારા દાવાની યથાર્થતાને મયાહ્નના પ્રકાશની જેમ પ્રકાશિત કરશે. પ્રભુની આગળ શાંત થા, અને તેમની સહાયની પ્રતીક્ષા કર. પોતાને માર્ગે આબાદ થનાર અને કાવતરાંમાં સફળ થનારને લીધે ખીજવાઈશ નહિ. રોષને છોડ અને ક્રોધનો ત્યાગ કર; તું ખિજવાઈશ નહિ; એ હાનિકારક નીવડે છે. કારણ, દુષ્ટોનો સંહાર થશે; પરંતુ પ્રભુ પર ભરોસો રાખનારાઓ વચનના પ્રદેશનો વારસો પામશે. ટૂંક સમયમાં જ દુષ્ટો હતા ન હતા થઈ જશે, તું તેમને ખંતથી શોધશે, પણ તેમનું નામનિશાન જડશે નહિ. પરંતુ નમ્રજનો વચનના પ્રદેશનો વારસો ભોગવશે, તેઓ તેની વિપુલ સમૃદ્ધિમાં રાચશે. દુષ્ટ માણસ નેકજનની વિરુદ્ધ ષડયંત્રો રચે છે અને તેની સામે ગુસ્સાથી દાંત પીસે છે. પરંતુ પ્રભુ દુષ્ટોની હાંસી ઉડાવે છે; કારણ, તે જાણે છે કે તેમના દિવસો ભરાઈ ચૂક્યા છે. દુષ્ટોએ પોતાની તલવારો તાણી છે, અને પોતાનાં ધનુષ્યો ખેંચ્યા છે; જેથી તેઓ પીડિતજનોને અને ગરીબોને મારી નાખે, અને સદાચારીઓનો સંહાર કરે. પરંતુ દુષ્ટોની તલવારો તેમનાં પોતાનાં જ હૃદયોને વીંધી નાખશે, અને તેમનાં ધનુષ્ય ભાંગી નાખવામાં આવશે. ધનિક દુર્જનોની પુષ્કળ દોલત કરતાં નેકજનોની અલ્પ માલમતા અધિક મૂલ્યવાન છે. કારણ, દુષ્ટોના હાથ ભાંગી નંખાશે, પરંતુ પ્રભુ નેકજનોને નિભાવી રાખશે. પ્રભુ નિર્દોષજનોની નિત્ય કાળજી રાખે છે, અને તેમનો વારસો સદાસર્વદા ટકશે. કપરા સમયોમાં પણ તેમને લજ્જિત થવું પડશે નહિ; દુકાળમાં પણ તેઓ તૃપ્ત રહેશે. પરંતુ દુષ્ટો નષ્ટ થશે; પ્રભુના શત્રુઓ ઘાસનાં ફુલોની જેમ નષ્ટ થશે, તેઓ ધૂમાડાની જેમ અદશ્ય થશે. દુર્જન ઉછીનું લીધેલું ય પાછું આપતો નથી, પણ નેકજન ઉદારતાથી દાન આપે છે. પ્રભુથી આશીર્વાદ પામેલા જનો વચનના પ્રદેશનો વારસો પામશે, પણ તેમનાથી શાપિત થયેલાઓનો ઉચ્છેદ થશે. જ્યારે માણસનો માર્ગ પ્રભુને પસંદ પડે છે ત્યારે તે તેનાં પગલાં દઢ કરે છે. જો કે તે ઠોકર ખાય, તો યે તે પડી જશે નહિ, કારણ, પ્રભુ તેનો હાથ પકડી લઈને તેને ટેકો આપશે. એક વેળા હું યુવાન હતો, અને હવે વૃદ્ધ થયો છું; પરંતુ પ્રભુએ કોઈ નેકીવાનનો ત્યાગ કર્યો હોય કે તેનાં બાળકો ભીખ માંગતા હોય તેવું મેં જોયું નથી. તે સદા ઉદાર હોય છે અને ઉછીનું આપે છે; તેનાં બાળકો પણ આશીર્વાદિત હોય છે. દુરાચારથી દૂર થા અને ભલાઈ કર; એથી તું વચનના પ્રદેશમાં વાસ કરશે. પ્રભુ ન્યાયપ્રિય છે, અને તે પોતાના સંતોનો ત્યાગ કરતા નથી; તે તેમનું સદાસર્વદા રક્ષણ કરે છે. પરંતુ દુષ્ટોના વંશજોનો ઉચ્છેદ થશે. નેકજનો વચનના પ્રદેશનો વારસો પામશે, અને તેઓ તેમાં સદા નિવાસ કરશે. નેકજનનું મુખ જ્ઞાન ઉચ્ચારે છે; તેની જીભ સચ્ચાઈની વાતો કરે છે. તેનાં હૃદયમાં તેના ઈશ્વરનો નિયમ છે, અને તેના પગ કદી લપસી જશે નહિ. દુષ્ટ નેકજનની જાસૂસી કરે છે; તે તેની હત્યા કરવાનો લાગ શોધે છે. પ્રભુ નેકજનને દુષ્ટના હાથમાં પડવા દેશે નહિ; નેકજનનો ન્યાય તોળાશે ત્યારે તે તેને દોષિત ઠરવા દેશે નહિ. પ્રભુની પ્રતીક્ષા કર, તેમણે ચીંધેલા માર્ગે ચાલ. વચનના પ્રદેશનો વારસ બનાવી તે તને ઉન્‍નતિ બક્ષશે, અને તું દુષ્ટોનો ઉચ્છેદ જોશે. મેં એક જુલમી દુષ્ટને આતંક ફેલાવતાં જોયો; તે લબાનોનના વિશાળ વૃક્ષની જેમ બીજાઓ પર દમામ મારતો હતો. હું ફરીથી પસાર થયો ત્યારે તે ત્યાં ન હતો. મેં તેની શોધ કરી, પણ તેનો પત્તો લાગ્યો નહિ! નિર્દોષને લક્ષમાં લે, અને પ્રામાણિકને નિહાળ; શાંતિપ્રિય મનુષ્યોનું ભાવિ ઉજ્જવળ હોય છે. ક્ધિતુ અપરાધીઓનો સંપૂર્ણ વિનાશ થશે, અને તેમના વંશજોનો ઉચ્છેદ થઈ જશે. પ્રભુ નેકીવાનોનો ઉદ્ધાર કરે છે; તે સંકટ સમયે તેમનું આશ્રયસ્થાન છે. પ્રભુ તેમની સહાય કરે છે અને તેમને ઉગારે છે, તે દુષ્ટોથી તેમને ઉગારીને તેમનાથી તેમને મુક્ત કરે છે; કારણ, તેઓ પ્રભુનો આશ્રય લે છે. (સંસ્મરણને અર્થે: દાવિદનું ગીત) હે પ્રભુ, તમારા કોપમાં મને ઠપકો ન દો, અને તમારા રોષમાં મને શિક્ષા ન કરો. તમારાં બાણો મને વાગ્યાં છે; તમારા ભુજે મને ભીંસી નાખ્યો છે. તમારા પ્રકોપને લીધે મારા શરીરમાં તંદુરસ્તી નથી; મારા પાપને કારણે મારાં હાડકાંમાં પણ ચેન નથી. મારાં પાપનો ગંજ મારા શિર પર ખડક્યો છે; તેમનો ભારે બોજ મારે માટે અસહ્ય છે. મારાં પાપની મૂર્ખાઈને કારણે મારાં ઘારાં સડીને દુર્ગંધ મારે છે. હું અત્યંત વાંકો વળી ગયો છું અને લથડી ગયો છું. હું આખો દિવસ શોકમગ્ન રહું છું. હું તાવથી ધખધખું છું. મારા હાડમાંસમાં કંઈ આરોગ્ય નથી. હું નિર્ગત થઈ ગયો છું અને અત્યંત કચડાઈ ગયો છું. મારા હૃદયમાં ખળભળાટ મચી ગયો છે અને હું વેદનાને લીધે કણસું છું. હે પ્રભુ, તમે મારી આકાંક્ષા જાણો છો; અને મારા નિ:સાસા તમારાથી છુપા નથી. મારા દયના ધબકારા વધી ગયા છે, મારું બળ ઓસરી ગયું છે; મારી આંખોનું તેજ ઝાંખું પડયું છે. મારા સ્નેહીઓ અને મિત્રો મારા રોગને લીધે મારી પાસે આવતા નથી; મારાં કુટુંબીજનો પણ મારાથી વેગળાં રહે છે. મારો જીવ લેવા ઇચ્છનારાઓ મારે માટે જાળ બિછાવે છે; મને હાનિ પહોંચાડવા મથનારા મને મારી નાખવાની ધમકી આપે છે, તેઓ આખો દિવસ કપટી યોજનાઓ ઘડયા કરે છે. પરંતુ જાણે બહેરો હોઉં તેમ હું કશું સાંભળતો નથી, અને જાણે મૂંગો હોઉં તેમ હું કશું બોલતો પણ નથી. હું તો સાંભળી નહિ શકવાને લીધે પોતાના બચાવમાં દલીલ કરી ન શકે તેવા માણસ જેવો બની ગયો છું. પરંતુ હે પ્રભુ, હું તમારી પ્રતીક્ષા કરું છું; હે પ્રભુ, મારા ઈશ્વર, માત્ર તમે જ મને ઉત્તર આપશો. તેથી મેં કહ્યું હતું કે, “મારા શત્રુઓને મારા દુ:ખ પર હરખાવા ન દો; મારા પતનના સમયમાં તેમને શેખી મારવા ન દો.” હું ઢળી પડવાની અણી પર છું; મારી વેદના નિરંતર મારી સાથે છે. હું મારો દોષ કબૂલ કરું છું; મારાં પાપોને લીધે હું વ્યથિત છું. મારા શત્રુઓ સ્ફૂર્તિલા અને બળવાન છે; વિનાકારણ મારો દ્વેષ કરનારા પણ ઘણા છે. તેઓ તો ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળી આપનારા છે; હું તેમનું ભલું કરું છું, ત્યારે તેઓ મારી નિંદા કરે છે. હે પ્રભુ, મારો ત્યાગ કરશો નહિ; મારા ઈશ્વર, મારાથી દૂર થશો નહિ. હે પ્રભુ, મારા ઉદ્ધારર્ક્તા મને સત્વરે સહાય કરો. (સંગીત સંચાલક યદૂથૂન માટે સૂચના: દાવિદનું ગીત) મેં વિચાર્યું હું મારા માર્ગો વિષે સાવચેત રહીશ; જેથી હું મારી જીભે પાપ ન કરું. દુષ્ટો મારી નજીક હોય ત્યારે હું મારા મુખ પર મૌનની લગામ રાખીશ. હું મૂંગો થઈને સંપૂર્ણ મૌન રહ્યો, અરે, સાચી વાત બોલવાથી પણ હું મૌન રહ્યો; પણ તેથી મારી અકળામણ વધી ગઈ. મારી ભીતરમાં મારું હૃદય ઉદ્વેગથી ધૂંધવાઈ ઊઠયું, જેમ વધુ વિચાર્યું તેમ તે આગની જેમ સળગી ઊઠયું; ત્યારે હું મારી જીભે બોલી ઊઠયો: “હે પ્રભુ, મારો અંત ક્યારે છે, તથા મારું આયુષ્ય કેટલું લાંબું છે; મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે સમજાવો. તમે મારા આયુષ્યના દિવસો વેંત જેટલા ટૂંકા કર્યા છે; તમારી દષ્ટિમાં મારું આયુષ્ય શૂન્ય જેવું છે; સાચે જ પ્રત્યેક મનુષ્યનું જીવન એક ફૂંક જેવું છે. (સેલાહ) સાચે જ પૃથ્વી પર ચાલનાર પ્રત્યેક માણસનું જીવન પડછાયા જેવું છે; સાચે જ તેનો બધો પરિશ્રમ વ્યર્થ છે. તે મિલક્તનો સંગ્રહ તો કરે છે, પણ તેના પછી તે કોણ ભોગવશે એ તે જાણતો નથી. હે પ્રભુ, હું શાની આશા રાખી શકું? મારી આશા તો તમારા પર જ છે. મારા સર્વ અપરાધોથી મને ઉગારો, મૂર્ખ લોકો મારી ઠેકડી ઉડાડે એવું થવા ન દો. હું મૌન રહ્યો અને મારું મુખ પણ ઉઘાડયું નહિ; કારણ, તમે જ મને દુ:ખી કર્યો છે. તમે મોકલેલી મહામારી મારાથી દૂર કરો; હું તો તમારા પ્રહારોથી મરણતોલ થઈ ગયો છું. તમારા ઠપકાથી તમે મનુષ્યને તેના દોષોની શિક્ષા કરો છો, કીડાની જેમ તમે મનુષ્યની પ્રિય વસ્તુઓનો નાશ કરો છો; સાચે જ મનુષ્યનું જીવન એક ફૂંક જેવું છે. (સેલાહ) હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો, મારા પોકારો લક્ષમાં લો, મારાં આંસુ પ્રત્યે મૌન ન સેવો. કારણ, હું તમારો થોડા સમયનો મહેમાન છું અને મારા પૂર્વજોની જેમ હું પણ પ્રવાસી છું. હું અહીંથી ચાલ્યો જાઉં અને હતો ન હતો થઈ જાઉં, તે પહેલાં તમારી કરડી નજર મારા પરથી ઉઠાવી લો; જેથી હું થોડીક રાહતનો દમ લઈ શકું! (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) મેં ધીરજથી પ્રભુની વાટ જોઈ; અને તેમણે કાન દઈને મારી વિનંતી સાંભળી. તેમણે વિનાશના ગર્તમાંથી અને ચીકણા ક્દવમાંથી મને ઉપર ખેંચી લીધો; તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા, અને મારાં પગલાં સ્થિર કર્યાં. તેમણે આપણા ઈશ્વરની સ્તુતિનું એક નવું ગીત મારા મુખમાં મૂકાયું છે. ઘણા એ જોઈને આદરયુક્ત ભય રાખશે. પ્રભુ પર ભરોસો રાખનારને ધન્ય છે; એવો માણસ મૂર્તિઓ તરફ વળી જતો નથી, અને જૂઠા દેવોના ઉપાસકો સાથે ભળી જતો નથી. હે પ્રભુ, અમારા ઈશ્વર, તમે અનન્ય છો; તમારાં અદ્‍ભુત કાર્યો અને અમારા વિષેના તમારા ઇરાદા કેટલા બધા છે! એમનું પૂરેપૂરું વર્ણન હું ક્યારેય કરી શકું નહિ; એ તો અગણિત છે. તમને બલિદાન અને ધાન્ય અર્પણની અપેક્ષા નથી; તમે દહનબલિ તથા પ્રાયશ્ર્વિતબલિ માગતા નથી; પરંતુ આધીનતા માટે તમે મારા કાન ઉઘાડયા છે. તેથી મેં કહ્યું, “હું આ રહ્યો. નિયમશાસ્ત્રના પુસ્તકમાં મારે શું કરવું તે લખાયેલું છે. હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પૂરી કરવા હું તત્પર છું; તમારો નિયમ મારા હૃદયમાં છે. તમારા લોકની મોટી સભામાં મેં ઉદ્ધાર વિષેનો શુભસંદેશ પ્રગટ કર્યો છે. હે પ્રભુ, તમે જાણો છો કે મેં મારા હોઠ બંધ રાખ્યા નથી. મેં તમારા ઉદ્ધારની વાત મારા હૃદયમાં સંતાડી રાખી નથી. હું સદા તમારા વિશ્વાસુપણા વિષે અને ઉદ્ધારક સહાય વિષે બોલ્યો છું; તમારાં પ્રેમ અને સચ્ચાઈને મેં મોટી સભાથી છુપાવ્યાં નથી. હે પ્રભુ, તમારી રહેમથી મને કદી વંચિત રાખશો નહિ; તમારાં પ્રેમ અને સચ્ચાઈ મને સદા સુરક્ષિત રાખો. હું અસંખ્ય સંકટોથી ઘેરાઈ ગયો છું. મારા દોષોએ મને પકડી પાડયો છે, તેથી હું કશું જોઈ શક્તો નથી; તેઓ તો મારા માથાના વાળ કરતાં વધારે છે, અને મારું હૃદય નિર્ગત થયું છે. હે પ્રભુ, કૃપા કરી મને ઉગારો; હે પ્રભુ, કૃપા કરી મને ઉગારો; હે પ્રભુ, મારી સત્વરે સહાય કરો. જેઓ મારી હત્યા કરવા યત્નો કરે છે, તેમને તમે લજ્જિત કરો અને ગૂંચવી નાખો. જેઓ મને હાનિ પહોંચાડવાની યોજના કરે છે, તેમને તમે નસાડો અને અપમાનિત કરો. જેઓ મારી ઠેકડી ઉડાડતાં “આહા, આહા” કહે છે, તેમને તમે તેમની શરમ ભરેલી વર્તણૂકને લીધે પાયમાલ કરો. પરંતુ તમારા શોધકો તમારાથી હર્ષિત અને આનંદિત બનો. તમારા ઉદ્ધારના ચાહકો નિરંતર કહો કે, “પ્રભુ કેટલા મહાન છે!” હું પીડિત અને દરિદ્ર છું પરંતુ પ્રભુ તમે મારી કાળજી લો છો, તમે જ મારા બેલી અને મુક્તિદાતા છો. હે મારા ઈશ્વર, હવે વિલંબ ન કરો. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) લાચારજનોની કાળજી લેનારાઓને ધન્ય છે; તેઓ સંકટમાં આવી પડે ત્યારે પ્રભુ તેમને ઉગારશે. પ્રભુ તેમનું રક્ષણ કરશે અને તેમને જીવંત રાખશે; તેઓ વચનના પ્રદેશમાં સુખી ગણાશે. પ્રભુ તેમને તેમના શત્રુઓના સકંજામાં પડવા દેશે નહિ. માંદગીના બિછાના પર પ્રભુ તેમનો આધાર થશે; માંદગીની પથારીને બદલે પ્રભુ તેમને આરોગ્ય બક્ષશે. મેં કહ્યું, “હે પ્રભુ, મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે; મારા પ્રત્યે દયા દર્શાવીને મને સાજો કરો. મારા શત્રુઓ મારે વિષે ઈર્ષાભરી વાતો કરે છે: “તે ક્યારે મરે કે તેનું નામનિશાન ભૂંસાઈ જાય?” મારી મુલાકાતે આવનારા સહાનુભૂતિના પોકળ શબ્દો ઉચ્ચારે છે; તેઓ અંદરખાને મારા વિષે જૂઠી માહિતી એકઠી કરે છે, અને બહાર જઈને અફવાઓ વહેતી મૂકે છે. મારા સર્વ દ્વેષીઓ મારે વિષે ગુસપુસ વાતો કરે છે; તેઓ મને હાનિ પહોંચાડવાની યોજનાઓ ઘડે છે. તેઓ કહે છે, “તેના પર જાદુનો જીવલેણ મંત્ર નંખાયો છે. તે માંદગીની પથારીમાંથી પાછો ઊઠવાનો નથી.” અરે, મારો દિલોજાન મિત્ર, જેના પર મને ભરોસો હતો, અને જે મારી સાથે જમતો તેણે પણ મારી સામે દગાથી લાત ઉગામી છે. તેથી હે પ્રભુ, મારા પર કૃપા કરો અને મને માંદગીમાંથી ઉઠાડો; જેથી હું તેઓ પર વેર વાળી શકું. મારા શત્રુઓ મારી સામે વિજયના પોકાર નહિ કરી શકે ત્યારે હું માનીશ કે તમે મારા પર પ્રસન્‍ન છો. મારી પ્રામાણિક્તાના ફળસ્વરૂપે તમે મને ધરી રાખ્યો છે, માટે તમે મને સદાસર્વદા તમારી સન્મુખ સ્થાન આપો છો. ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ હો! અનાદિકાળથી અનંતકાળ સુધી તેમને ધન્ય હો! આમીન! આમીન!! (સંગીત સંચાલક માટે સૂચના: કોરાના પુત્રોનું માસ્કીલ) જેમ વહેતા ઝરણા માટે હરણ તલસે છે તેમ જ હે ઈશ્વર, તમારે માટે મારો પ્રાણ તલપે છે. ઈશ્વર, હા, જીવંત ઈશ્વરને માટે મારો પ્રાણ તલખે છે; હું ઈશ્વરની સમક્ષ જઈને ક્યારે તેમનાં મુખનાં દર્શન કરી શકીશ? રાતદિવસ મારાં આંસુ જ મારો આહાર થયાં છે. આખો વખત તેઓ મને પૂછયા કરે છે, “તારો ઈશ્વર ક્યાં છે?” હું કેવો જનસમુદાય સાથે જતો હતો! જય જયકાર કરતા અને સ્તુતિના નાદ ગજવતા પર્વ પાળનાર જનસમુદાયને હું પ્રભુના મંદિરમાં કેવો દોરી જતો હતો! એ વીતેલી વાતોનું સ્મરણ થતાં મારો પ્રાણ શોકમાં દ્રવી ઊઠે છે. “હે મારા પ્રાણ, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ઉચાટ પામ્યો છે? ઈશ્વર પર ભરોસો રાખ અને હું ફરીથી મારા ઉદ્ધારક ઈશ્વરનાં સ્તુતિગાન ગાઈશ.” હે ઈશ્વર, મારો પ્રાણ ઉદાસ થયો છે, તેથી યર્દનના પ્રદેશથી અને હેર્મોન શિખરોની હારમાળાઓથી તથા મિસાર ડુંગર પરથી હું તમારું સ્મરણ કરું છું. તમારા ધોધની ગર્જનાને લીધે ઊંડાણને ઊંડાણ હાંક મારે છે. તમારા પાણીની છોળો અને સર્વ મોજાં મારા પર ફરી વળ્યાં છે. દિવસે પ્રભુ તેમનો પ્રેમ દર્શાવતા એથી રાત્રે હું તેમનું ગીત ગાતો; અને મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો. ખડક સરખા મારા સંરક્ષક ઈશ્વરને હું પૂછું છું: “તમે મને કેમ વીસરી ગયા છો? મારા શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?” મારા વેરીઓ જાણે મારાં હાડકાં તોડવા કારી ઘા કરતા હોય, તેમ મને મહેણાં મારે છે. તેઓ મને નિરંતર પૂછયા કરે છે: “તારો ઈશ્વર ક્યાં છે?” “હે મારા પ્રાણ, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ઉચાટ પામ્યો છે? ઈશ્વર પર ભરોસો રાખ; અને હું ફરીથી મારા ઉદ્ધારક ઈશ્વરનાં સ્તુતિગાન ગાઈશ.” હે ઈશ્વર, મને ન્યાય અપાવો, અધર્મી પ્રજા સામે મારા પક્ષમાં દલીલો રજૂ કરો; કપટી અને અન્યાયી માણસોથી મને ઉગારો. તમે તો મારા સમર્થક છો; તો પછી શા માટે તમે મારી ઉપેક્ષા કરો છો? શા માટે મારા શત્રુઓના જુલમને લીધે હું શોક કરતો ફરું છું? તમારો પ્રકાશ અને તમારું સત્ય* મોકલો, જેથી તેઓ મને માર્ગદર્શન આપે; તેઓ મને તમારા પવિત્ર સિયોન પર્વત પર તથા તમારા નિવાસસ્થાનમાં દોરી જાય. ત્યારે હું ઈશ્વરની વેદી પાસે, તથા મારા પરમાનંદ એવા ઈશ્વર પાસે આવીશ. હે ઈશ્વર, મારા ઈશ્વર હું મારી વીણા સાથે તમારી સ્તુતિ ગાઈશ. “હે મારા પ્રાણ, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ઉચાટ પામ્યો છે? ઈશ્વર પર ભરોસો રાખ! અને હું ફરીથી મારા ઉદ્ધારક ઈશ્વરનાં સ્તુતિગાન ગાઈશ.” (સંગીત સંચાલક માટે સૂચના: કોરાના પુત્રોનું ગીત. માસ્કીલ) હે ઈશ્વર, અમે અમારા કાનોથી સાંભળ્યું છે અને અમારા પૂર્વજોએ અમને જણાવ્યું છે કે તેમના સમયમાં, એટલે પ્રાચીન કાળમાં તમે મહાન કાર્યો કર્યાં હતાં. તમે તમારા પોતાને હાથે અન્ય પ્રજાઓને ઉખાડી નાખીને, ત્યાં તમારા લોકને વચનના પ્રદેશમાં રોપ્યા હતા. તમે અન્ય પ્રજાઓ પર વિપત્તિ લાવીને તેમને હાંકી કાઢયા અને તમારા લોકને વિસ્તાર્યા. અમારા પૂર્વજોએ કંઈ તલવાર વડે વચનના પ્રદેશ પર કબજો મેળવ્યો ન હતો, અને તેમણે પોતાના બાહુબળ વડે વિજય પ્રાપ્ત કર્યો નહોતો; પણ તમે તમારા જમણા હાથના પરાક્રમે, તમારા બાહુબળથી અને તમારા મુખના પ્રકાશે વિજય હાંસલ કર્યો હતો; કારણ, તમે તેમના પર પ્રસન્‍ન હતા. હે ઈશ્વર, એકલા તમે જ અમારા રાજા છો, અને તમે જ યાકોબના વંશજોને વિજય અપાવો છો. તમારી સહાયથી અમે શત્રુઓને પછાડી દઈશું; તમારે નામે અમે હુમલો કરનારાઓને ખૂંદી વળીશું. મને મારા ધનુષ્ય પર વિશ્વાસ નથી, અને મારી તલવાર મને બચાવવાને સમર્થ નથી. તમે જ અમારા શત્રુઓથી અમને બચાવો છો, અને તમે જ અમારા દ્વેષકોને લજ્જિત કરો છો. અમે સર્વ સમયે ઈશ્વર વિષે જ ગર્વ ધરાવીએ છીએ; હે ઈશ્વર, અમે સદાસર્વદા તમારા નામની આભારસ્તુતિ કરીશું. (સેલાહ) પણ હવે તમે અમને અવગણ્યા છે,અને પરાજયથી લજ્જિત થવા દીધા છે; અને હવે તમે અમારાં સૈન્યો સાથે બહાર આવતા નથી. તમે અમને વૈરીઓ સામે પીછેહઠ કરવા વિવશ કર્યા છે; અમારા દ્વેષીઓ અમને ફાવે તેમ લૂંટે છે. ક્તલ થનારાં ઘેટાંની જેમ તમે અમને સોંપી દીધા છે અને પરદેશોમાં વિખેરી નાખ્યા છે. તમે તો તમારા લોકને વિનામૂલ્યે વેચી દો છો, તેમની વેચાણકિંમતથી તમને કશો નફો થતો નથી, તમે તો અમને અમારા પડોશીઓ માટે મહેણાંને પાત્ર કર્યા છે, આસપાસના લોકો અમારી ઠેકડી ઉડાડે છે અને અમને ધૂત્કારે છે. તમે તો અમને વિદેશી રાષ્ટ્રોની વચ્ચે કહેવત સમાન બનાવ્યા છે, અને અન્ય પ્રજાઓ અમારી સામે તિરસ્કારથી માથાં હલાવે છે. શત્રુઓ વેર વાળવાને મહેણાંટોણાં મારે છે અને નિંદાના શબ્દો બોલે છે, ત્યારે તેમની સમક્ષ મારે આખો દિવસ અપમાન સહન કરવું પડે છે; શરમથી મારું મુખ ઢંકાઈ ગયું છે! *** અમે તમને વીસરી ગયા નથી, અને અમારી સાથે તમે કરેલ કરારનો ભંગ કર્યો નથી; છતાં આ બધું અમારા પર વીત્યું છે. અમારા પગ તમારા માર્ગથી વિચલિત થયા નથી. છતાં તમે અમને કચડીને શિયાળવાંના જંગલમાં તજી દીધા છે; તમે ઘોર અંધકારથી અમને ઢાંકી દીધા છે. જો અમે અમારા ઈશ્વરનું નામ વીસરી ગયા હોઈએ અને કોઈ પારકા દેવ સામે હાથ જોડયા હોય, તો તો તમે તે શોધી ન કાઢો? કારણ, તમે તો દયના ગુપ્ત વિચારો પણ જાણો છો. સાચે જ તમારે લીધે અમે નિરંતર હણાઈએ છીએ, અને ક્તલ થનારાં ઘેટાં જેવાં ગણાઈએ છીએ. હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘી રહ્યા છો? ઊઠો, સદાને માટે અમારી ઉપેક્ષા ન કરો. તમે કેમ અમારાથી તમારું મુખ છુપાવો છો? અમારાં દુ:ખ અને જુલમને કેમ વીસરી જાઓ છો? અમારાં મસ્તક ધૂળમાં રગદોળાયાં છે, અને અમારાં શરીર ભોંયભેગાં થયાં છે. ઊઠો, અમારી વહારે આવો; તમારા પ્રેમને લીધે અમને ઉગારો. (સંગીત સંચાલક માટે સૂચના: રાગ: કમળ ફૂલ, (હિબ્રૂ: શોશાન્તિમ) કોરાના પુત્રોનું માસ્કીલ (પ્રેમગીત)) સુંદર શબ્દોની પ્રેરણાથી મારું હૃદય ઊભરાઈ જાય છે; મારું કાવ્ય હું રાજાને સંબોધું છું: નિપુણ લહિયાની કલમની જેમ મારી જીભ વણથંભી વહે છે. તમે સર્વ પુરુષોથી અધિક સુંદર છો; તમારા હોઠોથી માધુર્ય ટપકે છે; કારણ, ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે. હે પરમ શૂરવીર, તમારી તલવાર કમરે ધારણ કરો; એ તમારું ગૌરવ અને તમારો પ્રતાપ છે. સત્ય, નમ્રતા અને નેકીની રક્ષા માટે તમારા પૂર્ણ પ્રતાપમાં સવાર થઈ વિજયવંત બનો; તમારો જમણો ભૂજ તમને ભવ્ય વિજયો અપાવશે. હે રાજન, તમારાં તીક્ષ્ણ બાણ શત્રુઓનાં દયને વીંધે છે; પ્રજાઓ તમારી શરણાગતિ સ્વીકારે છે. સનાતન ઈશ્વરે તમને રાજ્યાસન પર બિરાજમાન કર્યા છે; તમારો રાજદંડ ન્યાયનો રાજદંડ છે. તમને નેકી પર પ્રેમ છે અને દુષ્ટતા પર દ્વેષ છે તેથી જ ઈશ્વરે, તમારા ઈશ્વરે તમારા સૌ સાથીઓમાંથી તમને પસંદ કરી આનંદના તેલથી તમારો અભિષેક કર્યો છે. તમારાં વસ્ત્રો બોળ, અગર અને દાલચીનીનાં અત્તરોથી સુવાસિત છે. હાથીદાંતથી સુશોભિત મહેલોમાં તંતુવાદ્યોનું સંગીત તમને આનંદ પમાડે છે. રાજકુંવરીઓ પણ તમારા જનાનામાં છે ઓફીરના સોનાથી આભૂષિત મહારાણી તમારે જમણે હાથે ઊભાં છે. “હે પુત્રી, સાંભળ, વિચાર અને ધ્યાન આપ; તારા લોકને અને તારા પિતાના ઘરકુટુંબને ભૂલી જા. રાજા તારા સૌંદર્યની અભિલાષા રાખશે; તે તો તારા પતિ છે; તું તેમનું અભિવાદન કર. તૂરના લોકો તારે માટે ઉપહાર લાવશે; સંપત્તિવાન લોકો તારી મહેરબાની શોધશે.” રાજકન્યા સંપૂર્ણ ગૌરવવાન લાગે છે; તેનાં વસ્ત્રો સુવર્ણજરીનાં છે. તેને જરીબુટ્ટીવાળાં વસ્ત્રોમાં રાજાની પાસે લઈ જવાય છે; તેની પાછળ પાછળ તેની કુમારી સહેલીઓ જાય છે. આનંદ અને ઉત્સાહથી તેઓ દોરાય છે અને એમ તેઓ રાજમહેલમાં પ્રવેશે છે. “હે મહારાણી, તમારા પૂર્વજોને સ્થાને તમારા પુત્રો શાસકો બનશે તમે તેમને સમસ્ત પૃથ્વી પર અધિકારીઓ તરીકે નીમશો.” મારા ગીતથી તમારા નામનું વંશપરંપરા સ્મરણ રહેશે; લોકો સદા તમારાં ગુણગાન ગાશે. (સંગીત સંચાલક માટે સૂચના: કોરાના પુત્રોનું ગીત; રાગ ‘અલામોથ’) ઈશ્વર અમારા આશ્રય અને અમારું બળ છે; સંકટ સમયે તે સદા સાક્ષાત્ સહાયક છે. તેથી અમે ડરવાના નથી. પછી ભલેને પૃથ્વી મોટા ધરતીકંપોથી કંપી ઊઠે, અને પર્વતો સાગરના તળિયે ફેંક્ય. સમુદ્રો ભલેને ગર્જે અને ફીણ ઉપજાવે, અને સમુદ્રજળની થપાટોથી ટેકરીઓ કાંપી ઊઠે! જેનાં ઝરણાં ઈશ્વરના નગરને અને તેમાં આવેલા તેમના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે. ઈશ્વર તે નગરમાં છે, તેથી તેને કદી ઉથલાવી શકાશે નહિ; સત્વરે ઈશ્વર તેને સહાય કરશે. રાષ્ટ્રો ભયભીત થાય છે, રાજ્યો ડગમગી જાય છે; ઈશ્વર ગર્જના કરે છે અને પૃથ્વી પીગળી જાય છે. સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ) આવો, અને પ્રભુનાં મહાકાર્યો નિહાળો; તેમણે પૃથ્વી પર કેવાં આંતકપ્રેરિત કાર્યો કર્યાં છે તે જુઓ. તે પૃથ્વીના છેડા સુધી યુદ્ધો અટકાવી દે છે; તે ધનુષ્યો ભાંગી નાખે છે. ભાલાઓને તોડી નાખે છે; અને ઢાલોને બાળી નાંખે છે. ઈશ્વર કહે છે, “શાંત થાઓ અને કબૂલ કરો કે, હું ઈશ્વર છું; હું રાષ્ટ્રોમાં સર્વોપરિ અને પૃથ્વીમાં સર્વસત્તાધીશ છું.” સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ) (સંગીત સંચાલક માટે સૂચના: કોરાના પુત્રોનું ગીત) હે સર્વ પ્રજાઓ, આનંદથી તાળી પાડીને બુલંદ અવાજે ઈશ્વરનાં સ્તુતિગીત ગાઓ. સર્વોચ્ચ ઈશ્વર પ્રભુ તો આરાધ્ય છે. તે સમસ્ત પૃથ્વીના રાજાધિરાજ છે. તે પ્રજાઓ સામે અમને વિજય અપાવે છે; તે રાષ્ટ્રોને અમારે ચરણે નમાવે છે. તેમણે જ અમારા વસવાટ માટે વચનનો પ્રદેશ પસંદ કર્યો, પોતાના વહાલા અને અમારા પૂર્વજ યાકોબના ગૌરવી વારસાનો દેશ અમને વતન તરીકે આપ્યો. (સેલાહ) ઈશ્વર વિજયના પોકાર સહિત પોતાના રાજ્યાસન પર ચઢે છે; પ્રભુ રણશિંગડાના અવાજ સાથે સિંહાસન પર બિરાજે છે. સ્તુતિગીત ગાઓ, ઈશ્વરનાં સ્તુતિગીત ગાઓ, સ્તુતિગીત ગાઓ, આપણા રાજાનાં સ્તુતિગીત ગાઓ. કારણ, ઈશ્વર સમસ્ત પૃથ્વીના રાજા છે. સુંદર ગીતો રચીને તેમની સ્તુતિ ગાઓ. ઈશ્વર તેમના પવિત્ર સિંહાસન પર બિરાજ્યા છે; તે સર્વ પ્રજાઓ પર રાજ કરે છે. અમારા પૂર્વજ અબ્રાહામના ઈશ્વરે પસંદ કરેલા લોક સાથે સર્વ પ્રજાઓના અધિકારીઓ એકત્ર થયા છે. કારણ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે અને તે અતિ ઉચ્ચ મનાયા છે. (કોરાના પુત્રોનું ગીત) પ્રભુ મહાન છે અને તે અત્યંત સ્તુતિપાત્ર છે. તેમનો પવિત્ર સિયોન પર્વત આપણા ઈશ્વરના નગરમાં છે. તે અત્યંત રમણીય અને ઉન્‍નત છે, અને સમસ્ત પૃથ્વી માટે આનંદકારક છે. સિયોન પર્વત સાફોન પર્વત સમો ઊંચો અને કેન્દ્રસ્થાને છે; તે રાજાધિરાજનું નગર છે. એ નગરને કિલ્લાઓ છે; પણ ઈશ્વરે એ બધામાં પોતાને અજેય શરણગઢ તરીકે પ્રગટ કર્યા છે. રાજાઓ સૈન્યો સાથે એકત્ર થયા, તેઓ એક્સાથે સિયોન પર્વત પર આક્રમણ કરવા ચઢી આવ્યા. પરંતુ સિયોનને જોઈને તેઓ આશ્ર્વર્યમાં ડૂબી ગયા, અને ભયભીત બની ઉતાવળે ભાગી ગયા. તેઓ ભયથી ધ્રૂજી ઊઠયા; અને પ્રસૂતાની વેદના જેવી પીડામાં ઝડપાયા. ઉત્તરના વાવાઝોડાથી તાર્શીશનાં વહાણોના ચૂરેચૂરા થતા હોય તેવી તેમની દશા થઈ. અમે જેમ ઈશ્વરનાં મહાન કાર્યો વિષે સાંભળ્યું હતું, તે જ પ્રમાણે સેનાધિપતિ પ્રભુના નગરમાં, હા, ઈશ્વરના નગરમાં, અમે અમારી સગી આંખે થતું નિહાળ્યું છે! ઈશ્વર તે નગરને સદાસર્વદા ટકાવી રાખશે. (સેલાહ) હે ઈશ્વર, તમારા મંદિરમાં તમારા પ્રેમ વિશે અમે વિચાર કર્યો છે. હે ઈશ્વર, તમારા નામની જેમ જ તમારી સ્તુતિ પણ પૃથ્વીના છેડાઓ સુધી પ્રસરેલી છે; તમારો જમણો હાથ ઉદ્ધારક શક્તિથી ભરેલો છે. તમારાં ઉદ્ધારક કાર્યોને લીધે સિયોનના લોકો આનંદ માણો, અને યહૂદિયાના કુળપ્રદેશનાં નગરો હર્ષ પામો. હે ઈશ્વરના ભક્તો, સિયોનની પરિક્રમા કરતાં તેની આસપાસ ફરો, અને તેના મિનારાઓની ગણતરી કરો. તેના સંરક્ષક કોટોને ખૂબ યાનપૂર્વક નિહાળો, અને તેના દુર્ગોને બરાબર ચક્સો. જેથી તમે આગામી પેઢીને કહી શકો કે, “આ ઈશ્વર જ સદાને માટે આપણા ઈશ્વર છે; તે આપણને જીવનપર્યંત દોરશે.” (સંગીત સંચાલક માટે સૂચના: કોરાના પુત્રોનું ગીત) હે સર્વ પ્રજાઓ, આ સાંભળો; ધરતીના સર્વ નિવાસીઓ, કાન દો. સામાન્યજનો અને ખાનદાન લોકો, ધનિકો અને નિર્ધનો, તમે સૌ ધ્યાન દો. મારું મુખ જ્ઞાન ઉચ્ચારશે અને મારું હૃદય સમજણ પ્રગટ કરશે. હું કાન દઈને ઉખાણું સાંભળીશ; અને વીણાવાદન સાથે તેનો ઉકેલ આપીશ. કપટી જુલમીઓ મને ઘેરી વળે ત્યારે એવા સંક્ટ સમયે હું શા માટે ડરું? કારણ, એ લોકો તો પોતાની જ ધનસંપત્તિ પર ભરોસો રાખે છે, અને પોતાના અઢળક ધન વિષે અહંકાર કરે છે. પણ કોઈ માણસ પોતાને જાતે જ ઉગારી શકે નહિ, અને તે ઈશ્વરને પોતાના પ્રાણનું મુક્તિમૂલ્ય અદા કરી શકે નહિ. કારણ, મનુષ્યની જિંદગીનું મુક્તિમૂલ્ય અત્યંત ભારે છે. તે ગમે તેટલું ચૂકવવા ચાહે તો પણ તે ભરપાઈ કરી શકે નહિ. તો પછી તે કેવી રીતે સર્વદા જીવતો રહેશે? તે કેવી રીતે કબરમાં દટાવાથી બચશે? સાચે જ, માણસ જુએ છે કે બુદ્ધિવંતો પણ મરે છે, તેમજ મૂર્ખ અને મૂઢ પણ મૃત્યુ પામે છે; તેઓ બધાં પોતાનું ધન બીજાઓને માટે મૂકી જાય છે. જો કે તેમને નામે જમીનજાગીરો હતી, તોપણ કબરો તેમનાં કાયમનાં ઘર બન્યાં છે; એ તેમના યુગાનુયુગનાં નિવાસસ્થાન છે. મનુષ્યનો વૈભવ તેના મોતને ટાળી શક્તો નથી; તે તો નાશવંત પશુના જેવો છે. ખોટો આત્મવિશ્વાસ ધરાવનારાઓનો એવો અંજામ થશે. પોતાના ધનથી સંતુષ્ટ રહેનારાઓનો આવો અંત થશે. (સેલાહ) ઘેટાંની જેમ તેમને મૃત્યુલોક શેઓલની સજા થઈ છે; મૃત્યુ તેમનો ઘેટાંપાલક બનશે, તેઓ સીધેસીધા કબરમાં ઊતરી જશે, અને તેમના અવયવો ગળી જશે અને મૃત્યુલોક શેઓલ તેમનું નિવાસસ્થાન બનશે. પરંતુ ઈશ્વર મારા પ્રાણને ઉગારશે, શેઓલના પંજામાંથી તે મને ઝૂંટવી લેશે. (સેલાહ) તેથી કોઈ વ્યક્તિ ખૂબ ધનવાન બને અને તેના ઘરનો વૈભવ વધે ત્યારે તું ચીડાઈશ નહિ. કારણ, તે મૃત્યુ પામશે ત્યારે પોતાની સાથે કશું લઈ જવાનો નથી; તેનો વૈભવ તેની સાથે જશે નહિ. જો કે જીવનકાળ દરમ્યાન કોઈ પોતાને સુખી ગણતો હોય અને તેની સફળતાને લીધે લોકો તેની પ્રશંસા કરતા હોય, તોપણ તે પોતાના પૂર્વજો સાથે ભળી જશે, અને તે ફરી કદી પ્રકાશ જોશે નહિ. મનુષ્યનો વૈભવ તેના મોતને ટાળી શક્તો નથી; તે તો નાશવંત પશુના જેવો છે. ઈશ્વર, પ્રભુ પરમેશ્વર બોલ્યા છે; ઉદયાચલથી અસ્તાચલ સુધી પૃથ્વીના સર્વ લોકોને તે બોલાવે છે. સર્વાંગસુંદર સિયોનનગરમાં ઈશ્વર પ્રકાશે છે. આપણા ઈશ્વર પધારે છે, પણ ચૂપકીદીથી નહિ; તેમની સમક્ષ ભસ્મીભૂત કરનાર અગ્નિ ધસે છે અને તેમની ચારે તરફ પ્રચંડ આંધી છે. તે ઉપરના આકાશને અને પૃથ્વીને સાક્ષી તરીકે બોલાવે છે; જેથી તેમની હાજરીમાં તે પોતાના લોકોનો ન્યાય કરે. તે કહે છે, “બલિદાન દ્વારા જેમણે મારી સાથે કરાર કર્યો છે તેવા મારા સંતોને મારી પાસે એકત્ર કરો.” આકાશો ઈશ્વરની ન્યાયશીલતાને પ્રસિદ્ધ કરે છે; કારણ ઈશ્વર પોતે જ ન્યાયાધીશ છે. (સેલાહ) “હે મારા લોકો, સાંભળો; હું બોલું છું. હે ઇઝરાયલ, હું ઈશ્વર, તમારો ઈશ્વર તમારી સામે નિવેદન કરું છું. મારે તમને તમારાં બલિદાનો વિષે ઠપકો આપવાનો નથી; કારણ, તમારાં દહનબલિ તો તમે મને નિત્ય ચડાવો છો. મારે તમારી કોઢમાંથી સાંઢ અથવા તમારા વાડામાંથી બકરો જોઈતો નથી; કારણ, વનનાં સમસ્ત પશુઓ, અને હજારો પર્વતો પરનાં પ્રાણીઓ મારાં જ છે. આકાશનાં બધાં પંખીઓને હું ઓળખું છું, અને ધરતી પર વિચરતા અસંખ્ય જીવજંતુઓ મારાં છે. જો હું ભૂખ્યો હોઉં તોપણ તમને જણાવું નહિ; કારણ, સૃષ્ટિ તથા તેમાંનું સર્વસ્વ મારું છે. શું હું આખલાઓનું માંસ ખાઉં? શું હું બકરાઓનું રક્ત પીઉં? તેથી મને, તમારા ઈશ્વરને તો તમે સ્તુતિરૂપી અર્પણ ચડાવો, અને સર્વોચ્ચ ઈશ્વરને આપેલાં તમારાં વચનો પૂર્ણ કરો. સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.” પરંતુ ઈશ્વર દુષ્ટોને કહે છે; “શા માટે તમે મારા આદેશોનું રટણ કરો છો? શા માટે તમે મારા કરારની આજ્ઞાઓ મુખપાઠ કરો છો? કારણ, તમે તો શિસ્તને ધિક્કારો છો, અને મારી આજ્ઞાઓનો અનાદર કરો છો. તમે ચોરને જોઈને તેની સાથે જોડાઈ જાઓ છો, અને વ્યભિચારીઓને સાથ આપો છો. તમે તમારા મુખને ભૂંડાઈ માટે છુટ્ટો દોર આપો છો, તમારી જીભ છળકપટની જાળ રચે છે. તમે બેસીને બદઇરાદાથી તમારા જાતભાઈ પર ખોટો આક્ષેપ મૂકો છો, અરે, તમે તો પોતાના મા જણ્યા ભાઈની બદનક્ષી કરો છો! તમે આવાં કામો કર્યાં છે, અને છતાં શું હું ચૂપ રહું? તો તમે મને પણ તમારા જેવો ધારી લો. પરંતુ હું તમને ઠપકો આપું છું અને તમારી સમક્ષ તમારી સામે દાવો રજૂ કરું છું. હે ઈશ્વરની અવગણના કરનારા, તમે આ સમજો; નહિ તો હું ચીરીને તમારા ટુકડેટુકડા કરીશ, અને તમને ઉગારનાર કોઈ નહિ હોય. સ્તુતિરૂપી અર્પણ ચડાવનાર મારું બહુમાન કરે છે, અને સીધી રીતે વર્તનારને હું ઈશ્વરનો ઉદ્ધાર દેખાડીશ. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદે બાથશેબા સાથે સમાગમ કર્યો તે પછી સંદેશવાહક નાથાન ઈશ્વરનો સંદેશ લઈ દાવિદ પાસે આવ્યો તે સમયનું દાવિદનું ગીત) હે ઈશ્વર તમારા પ્રેમને લીધે મારા પ્રત્યે દયા દર્શાવો. તમારી અસીમ રહેમ અનુસાર મારા અપરાધોને ભૂંસી નાખો. મારા દોષથી મને પૂરેપૂરો ધૂઓ, મારાં પાપથી મને શુદ્ધ કરો. પાપની કબૂલાત હું મારા અપરાધો કબૂલ કરું છું અને મારું પાપ નિરંતર મારી સમક્ષ છે. તમારી વિરુદ્ધ, હા તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને તમારી દષ્ટિમાં જે ભૂંડું છે તે મેં કર્યું છે. તેથી મને દોષિત જાહેર કરવામાં તમે સાચા છો અને મને ગુનેગાર ઠરાવતા તમારા ન્યાયચુકાદામાં તમે વાજબી છો. હું જન્મથી જ પાપી છું; બલ્કે, મારી માતાના ઉદરે ગર્ભ રહ્યો તે પળથી જ હું પાપી છું. પણ તમે તો અંત:કરણની સચ્ચાઈ ચાહો છો; તેથી મારા દયને તમારું જ્ઞાન શીખવો. મારાં પાપ ઝુફાથી ધોઈને દૂર કરો, એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમથી ય અધિક શ્વેત થઈશ. મને હર્ષ અને આનંદના સાદ સંભળાવો. એટલે, તમે કચડી નાખેલાં મારાં અસ્થિ પ્રફુલ્લિત થશે. મારાં પાપ પરથી તમારી નજર ફેરવી લો, અને તમે મારા સર્વ દોષો ભૂંસી નાખો. હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્‍ન કરો, અને મારા આત્માને તાજો અને દઢ કરો. તમારી સંમુખથી મને કાઢી મૂકશો નહિ, અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ. તમારા ઉદ્ધારને લીધે મળતો આનંદ મને પાછો આપો અને ઉદાર આત્માથી મને નિભાવી રાખો. ત્યારે હું અપરાધીઓને તમારા માર્ગ વિષે શીખવીશ અને પાપીઓ તમારી તરફ પાછા ફરશે. હે ઈશ્વર, મારા ઉદ્ધારક, ખૂનના દોષમાંથી મને મુક્ત કરો; એટલે, મારી જીભ તમે કરેલા છુટકારા વિષે મોટેથી ગાશે. હે પ્રભુ, મારા હોઠ ઉઘાડો; જેથી મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરે. તમે માત્ર બલિદાનોથી પ્રસન્‍ન થતા નથી, નહિ તો હું તે ચડાવત; અરે, તમે દહનબલિથી પણ રીઝતા નથી. હે ઈશ્વર, મારું બલિદાન તો મારો ભંગિત આત્મા છે; તમે આ ભંગિત અને વાસ્તવિક દયને ધુત્કારશો નહિ. તમારી કૃપા થકી સિયોનનગરનું કલ્યાણ કરો; યરુશાલેમના કોટોને તમે ફરી બાંધો, ત્યારે તો દહનબલિ અને સંપૂર્ણ દહનબલિ જેવાં યોગ્ય બલિદાનોથી તમે પ્રસન્‍ન થશો, અને તમારી વેદી પર આખલાઓના બલિ ચડાવાશે. (સંગીત સંચાલક માટે સૂચના: દોએગ અદોમીએ જઈને શાઉલને સમાચાર આપ્યા કે દાવિદ અહિમેલેખના નગરમાં આવ્યો છે તે સમયનું દાવિદનું માસ્કીલ) હે જુલમી, શા માટે તું તારી દુષ્ટતાની બડાઈ હાંકે છે? શા માટે તું હંમેશા ઈશ્વરના પ્રિયજનો વિરુદ્ધ દુષ્ટ યોજનાઓ રચે છે? તારી જીભ ધારદાર અસ્ત્રા જેવી છે; તું હંમેશા છળકપટમાં રાચે છે. તું ભલાઈ કરતાં ભૂંડાઈને અને સત્ય કરતાં જૂઠને અધિક ચાહે છે. (સેલાહ) હે કપટી જીભ, તને તો વિનાશકારી વાણી ગમે છે. તેથી ઈશ્વર તને સદાને માટે કચડી નાખશે તે તારા તંબૂમાંથી તને પકડીને ખેંચી કાઢશે. તે તને જીવતાઓની ભૂમિ પરથી ઉખેડી નાખશે. (સેલાહ) નેકજનો એ જોશે અને ભયભીત થશે. તેઓ તારો ઉપહાસ કરતાં કહેશે: “આ માણસને જુઓ; જેણે ઈશ્વરને પોતાના આશ્રય ન બનાવ્યા, પરંતુ પોતાના વિપુલ ધન પર ભરોસો રાખ્યો, અને પોતાની દુષ્ટતામાં સલામતી શોધી તે એ છે.” પરંતુ હું તો ઈશ્વરના ઘરમાં પાંગરતા લીલાછમ ઓલિવવૃક્ષ જેવો છું; હું ઈશ્વરના પ્રેમ પર સદાસર્વદા ભરોસો રાખું છું. હે ઈશ્વર, તમારા એ કાર્યને લીધે હું તમારી આભારસ્તુતિ કરીશ, અને તમારા સંતોની સંમુખ તમારા નામની શ્રેષ્ઠતા પ્રસિદ્ધ કરીશ. (સંગીત સંચાલક માટે સૂચના: રાગ માહલાથ પ્રમાણે; દાવિદનું માસ્કીલ) મૂર્ખ પોતાના મનમાં માને છે કે, “ઈશ્વરનું અસ્તિત્વ જ નથી.” તેઓ ભ્રષ્ટ છે અને તેમણે ઘૃણાજનક દુષ્ટતા આચરી છે અને સર્ત્ક્ય કરનાર એક પણ નથી. કોઈ સમજુ કે ઈશ્વરની ઝંખના સેવનાર છે કે કેમ તે જોવાને ઈશ્વર સ્વર્ગમાંથી માનવજાત પર દષ્ટિ કરે છે. પરંતુ તેઓ સઘળા અવળે માર્ગે ચઢી ગયા છે. તેઓ સૌ એક્સરખા ભ્રષ્ટ થયા છે અને સર્ત્ક્ય કરનાર કોઈ નથી. ના, એક પણ નથી. આ ભ્રષ્ટાચારીઓ કાંઈ જ સમજતા નથી. અને તેઓ કદી ઈશ્વરને પ્રાર્થના પણ કરતા નથી. જાણે રોટલી ખાતા હોય તેમ તેઓ મારા લોકને ખાઈ જાય છે! ભૂતકાળમાં ક્યારેય ન થયા હોય એવા આતંક્તિ તેઓ થશે. કારણ, ઈશ્વર પોતાના લોકના દુશ્મનોનાં હાડકાં વિખેરી નાખશે. ઈશ્વરે તેમનો ત્યાગ કર્યો છે, તેથી તેઓ પરાજયથી લજ્જિત થશે. સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર સત્વરે પ્રગટ થાય તો કેવું સારું! ઈશ્વર પોતાના લોકને પુન: આબાદ કરશે, ત્યારે યાકોબના વંશજો આનંદ કરશે અને ઇઝરાયલના લોકો હર્ષ પામશે. (સંગીત સંચાલક પ્રતિ: તંતુવાદ્યોની સાથે ગાવાને દાવિદનું માસ્કીલ. જ્યારે ઝીફ નગરના માણસોએ શાઉલ પાસે જઈને કહ્યું, “દાવિદ અમારે ત્યાં સંતાયો છે” તે સમયનું ગીત) હે ઈશ્વર, તમારી નામનાને લીધે મને બચાવો; તમારા સમર્થન વડે મને ન્યાય અપાવો. હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો, અને મારા મુખના શબ્દો પ્રત્યે કાન ધરો. અહંકારીઓ મારા પર હુમલો કરે છે, ક્રૂર માણસો મારો જીવ લેવા મથે છે, તેમને ઈશ્વરની કશી દરકાર નથી. (સેલાહ) ઈશ્વર મારા સહાયક છે, પ્રભુ જ મારા જીવનનો આધાર છે. તે મારા વૈરીઓને તેમની ભૂંડાઈ માટે શિક્ષા કરશે; હે પ્રભુ, તમારી સચ્ચાઈ વડે તેમનો વિનાશ કરો. હું તમને આનંદપૂર્વક બલિદાનો ચડાવીશ; હે પ્રભુ, હું તમારા નામની આભારસ્તુતિ કરીશ, કારણ, તમે ભલા છો. તમે મને મારા સર્વ સંકટમાંથી ઉગાર્યો છે; મેં નજરોનજર મારા શત્રુઓનો પરાજય નિહાળ્યો છે. (સંગીત સંચાલક પ્રતિ: તંતુવાદ્યોની સાથે ગાવાને, દાવિદનું માસ્કીલ) હે ઈશ્વર, મારી પ્રાર્થના પ્રત્યે કાન ધરો; મારી અરજથી પોતાને સંતાડશો નહિ. મારા પ્રત્યે ધ્યાન દો અને મને ઉત્તર આપો; મારા શોકમાં હું ભારે વિલાપ કરતો ફરું છું. શત્રુઓની ધમકીઓથી હું આકુળવ્યાકુળ છું, અને દુષ્ટોના દમનને કારણે કચડાઈ ગયો છું; તેઓ મારા પર આક્ષેપો ખડકે છે; તેઓ તેમના ક્રોધમાં મને સતાવે છે. મારી ભીતર મારું હૃદય ખળભળી ઊઠયું છે; કારણ, મૃત્યુનો ભય મારા પર તોળાઈ રહ્યો છે. હું ત્રાસથી ધ્રૂજી ઊઠયો છું, અને મહાઆંતકથી ઘેરાઈ ગયો છું. મેં કહ્યું, “જો મને કબૂતરની જેમ પાંખો હોત તો કેવું સારું! તો તો હું ઊડી જઈને વિશ્રાંતિ પામત! હું દૂરદૂર ઊડી જાત અને નિર્જન પ્રદેશમાં મુકામ કરત. (સેલાહ) ઝંઝાવાતી પવન અને આંધીથી બચવા હું ત્વરાથી કોઈ સુરક્ષિત સ્થાનમાં પહોંચી જાત.” હે પ્રભુ, મારા શત્રુઓની જીભોની મસલતો નિષ્ફળ બનાવો; કારણ કે, હું નગરમાં હિંસા તથા હુલ્લડ જોઉં છું. તેઓ દિવસરાત નગરકોટ પર ચારે બાજુએ ફર્યા કરે છે; તેની અંદર ગુનાખોરી અને હાડમારી છે. તેની અંદર વિનાશ પથરાયેલો છે; તેની શેરીઓમાંથી અત્યાચાર અને ભ્રષ્ટાચાર દૂર થતાં નથી. જો કોઈ શત્રુએ મારી નિંદા કરી હોત, તો હું તે સહન કરી શક્ત. જો કોઈ પ્રતિસ્પર્ધીએ મારી વિરુદ્ધ લડાઈ કરી હોત તો હું તેનાથી સંતાઈ શક્ત. પરંતુ એ તો તું જ છે. મારો સમકક્ષ, મારો સાથી અને મારો દિલોજાન દોસ્ત! આપણે પરસ્પર મીઠી મીઠી વાતો કરતા હતા, અને જનસમુદાય સાથે ઈશ્વરના મંદિરમાં જતા હતા. મારા શત્રુઓ એકાએક મૃત્યુ પામો! તેઓ જીવતા જ મૃત્યુલોક શેઓલમાં ઊતરી પડો! કારણ, તેમનાં ઘર અને મન ભૂંડાઈથી ભરેલાં છે. પરંતુ હું તો ઈશ્વરને પોકાર કરું છું અને એ પ્રભુ જ મને ઉગારશે. હું સવારે, બપોરે અને સંયાએ નિ:સાસા સાથે રુદન કરું છું; તે મારો આર્તનાદ સાંભળશે. તે મારા જીવને પ્રત્યેક હુમલાખોરથી બચાવી સલામત રાખશે; કારણ, મારા વિરોધીઓ ઘણા છે. અનાદિકાળથી રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વર મારી પ્રાર્થના સાંભળશે અને તેમને નમાવશે; (સેલાહ) કારણ, ન તો તેઓ સુધરે છે, કે ન તેમને ઈશ્વરનો ડર લાગે છે. મારા અગાઉના સાથીએ પોતાના જ મિત્રો પર આક્રમણ કર્યું, તેણે પોતાના જ કરારનો ભંગ કર્યો. તેના મુખના શબ્દો માખણ જેવા મુલાયમ હતા. પરંતુ તેના હૃદયમાં ઝઘડાનું ઝેર હતું. તેના શબ્દો તેલ જેવા લીસા હતા, છતાં તે ઉઘાડી તલવાર જેવા તીક્ષ્ણ હતા. તારો બોજો પ્રભુ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે નેકજનને કદી વિચલિત થવા દેશે નહિ. ખૂની તથા કપટી માણસો પોતાનું ર્આુ આયુષ્ય પણ ભોગવશે નહિ; કારણ, હે ઈશ્વર, તમે તેમને વિનાશની ગર્તમાં ફંગોળી દેશો, પરંતુ હું તમારા પર જ ભરોસો રાખીશ. (સંગીત સંચાલક માટે સૂચના: રાગ, એકલવાયું શાંત કબૂતર (હિબ્રૂ: યોનાથ - એલેમ - રહોકીમ) દાવિદનું મિખ્તામ; ગાથમાં પલિસ્તીઓએ તેને પકડયો તે સમયનું ગીત) હે ઈશ્વર, મારા પર દયા કરો, કારણ, માણસો મને ખૂંદી નાખે છે; મારા શત્રુઓ આખો વખત મારા પર જુલમ કરે છે. મારા વેરીઓ આખો દિવસ મને ખૂંદે છે, ઘણા ગર્વિષ્ઠો મારી સામે લડે છે. હે સર્વોચ્ચ ઈશ્વર, જ્યારે હું ભયભીત થાઉં છું. ત્યારે હું તમારા પર ભરોસો રાખું છું. જેમના સંદેશની હું પ્રશંસા કરું છું, તે ઈશ્વર પર હું ભરોસો રાખું છું અને ડરતો નથી. પામર માનવી મને શું કરી શકે? મારા શત્રુ નિરંતર મને તેમના શબ્દોથી ચીડવે છે. તેમના સર્વ વિચાર મારું ભૂંડું કરવા અંગેના છે. તેઓ ભેગા મળીને કાવતરું રચે છે અને સંતાઈ રહે છે; તેઓ મને શોધવા મારું પગેરું પકડે છે, તેઓ મારી હત્યા કરવાની રાહ જુએ છે. હે ઈશ્વર, તેમની ભૂંડાઈમાંથી અમને બચાવો અને તમારા કોપમાં તેમને ગબડાવી નાખો. તમે મારી રખડામણો ગણો છો, મારાં આંસુને તમારી મશકમાં સંઘરો છો. શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી? પછી જે દિવસે હું તમને પોકારીશ, ત્યારે મારા શત્રુઓ પીછેહઠ કરશે; હું જાણું છું કે ઈશ્વર મારી પડખે છે. જે ઈશ્વરના સંદેશની હું પ્રશંસા કરું છું, જે પ્રભુના સંદેશની હું પ્રશંસા કરું છું, તે ઈશ્વર પર હું ભરોસો રાખું છું અને ડરતો નથી. પામર માનવી મને શું કરી શકે? હે ઈશ્વર, તમારી સમક્ષ માનેલી માનતાઓ હું પાળીશ. હું તમને આભારબલિ ચડાવીશ. તમે મારા પ્રાણને મૃત્યુમાંથી ઉગાર્યો છે, અને મારા પગને લથડવા દીધા નથી; જેથી, હે ઈશ્વર, હું તમારી સમક્ષ જીવનદાયક પ્રકાશમાં ચાલું. (સંગીત સંચાલક માટે સૂચના: રાગ: હિબ્રૂ: અલ તારખેથ - (‘વિનાશ કરશો નહિ’,) દાવિદનું મિખ્તામ. તે શાઉલ રાજા પાસેથી નાસી જઈને ગુફામાં સંતાઈ રહેતો તે સમયનું ગીત.) હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કારણ, મારો આત્મા તમારે શરણે આવ્યો છે; આ વિનાશક આંધી પસાર ન થઈ જાય, ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં શરણ લઈશ. હું સર્વોચ્ચ ઈશ્વરને પોકારું છું; પોતાના ઇરાદા મારામાં પૂર્ણ કરનાર ઈશ્વરને વિનંતી કરું છું. ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે. જુલમ કરનારાઓને તે પરાજયથી લજ્જિત કરશે. (સેલાહ) ઈશ્વર પોતાનાં પ્રેમ અને વિશ્વાસુપણું દાખવશે. હું તો શત્રુઓથી ઘેરાઈ ગયો છું; તેઓ તો ક્ષુધાતુર માનવભક્ષી સિંહો જેવા છે. તેમના દાંત ભાલા જેવા ભયાનક છે અને તેમની જીભ તીક્ષ્ણ તલવાર જેવી ક્તિલ છે. હે ઈશ્વર, તમારી મહત્તા આકાશ કરતાં ઉન્‍નત મનાઓ, અને સમસ્ત સૃષ્ટિમાં તમારું ગૌરવ વ્યાપી રહો. મારા શત્રુઓએ મારા પગ ફસાવવા માટે જાળ બિછાવી છે, અને હું પડી ગયો છું. તેમણે મારા માર્ગમાં ખાડો ખોદ્યો, પરંતુ તેઓ પોતે જ તેમાં ગબડી પડયા છે. (સેલાહ) હે ઈશ્વર, મારું હૃદય દઢ છે, મારું હૃદય દઢ છે, હું ગીતો ગાઈશ અને વાંજિત્રો પણ વગાડીશ. હે મારા પ્રાણ, જાગ! મારી વીણા અને તાનપૂરા તમે પણ જાગો! હું જાતે પ્રભાતને જગાડીશ! હે પ્રભુ, વિવિધ રાષ્ટ્રોના લોકોની વચમાં હું તમારી આભારસ્તુતિ કરીશ. હું સર્વ પ્રજાઓની વચમાં તમારાં ગુણગાન ગાઈશ. તમારો પ્રેમ આકાશોથી પણ ઊંચે પ્રસરેલો છે, અને તમારું વિશ્વાસુપણું વાદળોને પણ આંબે છે. હે ઈશ્વર, તમારી મહત્તા આકાશ કરતાં ઉન્‍નત મનાઓ અને સમસ્ત સૃષ્ટિમાં તમારું ગૌરવ વ્યાપી રહો. (સંગીત સંચાલક માટે સૂચના. રાગ: હિબ્રૂ: અલ તારખેથ (વિનાશ કરશો નહિ.) દાવિદનું મિખ્તામ) હે માનવી શાસકો, શું તમે સાચો ચુકાદો આપો છો? શું તમે માણસોનો અદલ ઇન્સાફ કરો છો? ના, તમે તો મનમાં ભૂંડું કરવાની યોજનાઓ ઘડો છો અને તમારા હાથે દેશમાં હિંસા આચરો છો. દુષ્ટો તો માના પેટે હોય ત્યારથી જ ભટકી ગયેલા હોય છે; અને જન્મથી જ તેઓ અવળે રસ્તે ચડી જાય છે અને જૂઠું બોલે છે. તેમનું ઝેર સાપના ઝેર જેવું હોય છે; અને બહેરા નાગની જેમ તે પોતાના કાન બંધ કરી દે છે. તે મદારીની મહુવરનો સાદ સાંભળતો નથી, કે ચાલાક ગારૂડીનો મંત્ર પણ કાને પડવા દેતો નથી. હે ઈશ્વર, એ યુવાન સિંહોનાં મોંમાંથી દાંત તોડી નાખો; હે પ્રભુ, તેમની રાક્ષીઓ પણ ખેંચી કાઢો. તેઓ વેગે વહી જતા પાણીની જેમ વિલીન થાઓ; તેઓ બાણ તાકે ત્યારે તે બૂઠાં થઈ જાઓ. તેઓ ક્દવમાં ઓગળી જતી જળો જેવા અને સૂર્યને કદી ન જોનાર મૃત જન્મેલા ગર્ભના જેવા બનો. દુષ્ટો તો કાંટા-ઝાંખરાં સમાન છે. હજુ તો તેઓ લીલા હોય અને માટલા નીચે બાળવા માટે સુક્યાં ન હોય તે પહેલાં ઈશ્વરનો ક્રોધાગ્નિ તેમને બાળીને ઉડાડી દેશે. દુષ્ટોને સજા થતી નિહાળીને નેકજનો હરખાશે. તેઓ દુષ્ટોના રક્તમાં પોતાના પગ ધોશે. લોકો કહેશે, “સાચે જ નેકજનોને પુરસ્કાર મળે છે; સાચે જ પૃથ્વી પર ન્યાય કરનાર ઈશ્વર છે.” (સંગીત સંચાલક પ્રતિ: રાગ, અલ તારખેથ; (વિનાશ કરશો નહિ) દાવિદનું મિખ્તામ; જ્યારે શાઉલ રાજાએ મોકલેલા માણસોએ તેની હત્યા કરવા ઘરની તપાસ રાખી તે સમયનું ગીત) હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને બચાવો. મારા પર હુમલો કરનારાઓથી મારું રક્ષણ કરો. અન્યાય આચરનારાઓથી મને બચાવો અને ખૂનીઓથી મને ઉગારો. તેઓ મારી હત્યા કરવા છુપાઈને બેઠા છે. ઘાતકી લોકો મારી વિરુદ્ધ એકત્ર થાય છે. હે પ્રભુ, મારા કોઈ અપરાધ કે મારા કોઈ પાપને લીધે તેઓ એમ કરે છે એવું નથી; મારો કોઈ દોષ હોવા ન છતાં તેઓ મારી સામે દોડીને લડવા તૈયાર થાય છે. હે પ્રભુ, ઊઠો, મારી મદદે આવો અને જુઓ. હે સેનાધિપતિ પ્રભુ, તમે તો ઇઝરાયલના ઈશ્વર છો. જાગો અને સર્વ વિધર્મી રાષ્ટ્રોને સજા કરો; ભૂંડાઈ આચરનાર કોઈ પણ દેશદ્રોહી પ્રત્યે દયા દર્શાવશો નહિ. (સેલાહ) સંયાકાળે તેઓ પાછા ફરે છે; અને કૂતરાની જેમ ધૂરક્તાં નગરમાં ભટકે છે. જુઓ તો ખરા કે તેઓ કેવું થૂંક ઉડાડે છે! તેમની વાણી તાતી તલવાર જેવી છે; છતાં તેઓ ધારે છે કે તેમનું બોલવું સાંભળનાર કોઈ નથી. પરંતુ હે પ્રભુ, તમે તેમને હસી કાઢશો; તમે સર્વ વિધર્મી પ્રજાઓનો ઉપહાસ કરશો. હે મારા સામર્થ્ય, હું તમારી વાટ જોઉં છું; હે ઈશ્વર, તમે જ મારા સંરક્ષક ગઢ છો. મારા ઈશ્વર પોતાના પ્રેમથી મારી વહારે આવશે; મારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાની મારી આકાંક્ષાને તે પૂરી કરશે. હે ઈશ્વર, તેમનો સંહાર કરો, નહિ તો મારા લોક નાસીપાસ થશે. હે પ્રભુ, અમારી સંરક્ષક ઢાલ, તમારા સામર્થ્ય દ્વારા તેમને હચમચાવી નાખીને નીચે પાડો. તેમના હોઠો પર પાપ છે. તેમના શબ્દોમાં પાપ છે. તેઓ શાપ દે છે અને જૂઠ બોલે છે. તેથી તેમને પોતાના જ અહંકારમાં ફસાઈ પડવા દો. તમારા કોપમાં તેમને ભસ્મીભૂત કરો; એકય ન બચે તેમ તેમનો પૂરો વિનાશ કરો; જેથી બધા લોકોને ખાતરી થાય કે ઈશ્વર યાકોબના દેશમાં અને પૃથ્વીની સર્વ સીમાઓ સુધી રાજ કરે છે. (સેલાહ) મારા શત્રુઓ સંયાકાળે પાછા ફરે છે અને કૂતરાની જેમ ધૂરક્તાં નગરમાં ભટકે છે. ખોરાકની શોધમાં આમતેમ ભટક્તા અને તૃપ્ત ન થાય તો ધૂરકિયાં કરતાં કૂતરાની જેમ તેઓ રખડે છે. પરંતુ હું તો તમારા સામર્થ્યનાં ગીતો ગાઈશ. સવારે હું તમારા અવિચળ પ્રેમનો જયજયકાર કરીશ. કારણ, તમે મારા ઊંચા સંરક્ષક ગઢ બન્યા છો, સંકટ સમયે તમે મારું આશ્રયસ્થાન છો. હે મારા સામર્થ્ય, હું તમારાં સ્તુતિગાન ગાઈશ. હે ઈશ્વર, તમે જ મારા ઊંચા સંરક્ષક ગઢ છો, અને મારા પર પ્રેમ દર્શાવનાર ઈશ્વર છો. (સંગીત સંચાલક માટે સૂચના: રાગ: કમળફૂલનું વચન ચ-હિબ્રૂ: શૂશાન - એડ્થૃ-; શિક્ષણ માટે દાવિદનું મિખ્તામ, નાહરાઈમ અને ઝોબાના અરામીઓ સાથે તેણે યુદ્ધ કર્યું અને યોઆબે પાછા વળતાં ક્ષારના ખીણપ્રદેશમાં બાર હજાર અદોમીઓને માર્યા તે સમયનું ગીત) હે ઈશ્વર, તમે અમારો ત્યાગ કર્યો છે, અને તમે અમને છિન્‍નભિન્‍ન કરી નાખ્યા છે. તમે અમારા પર કોપાયમાન થયા છો, અને અમારાથી વિમુખ થયા છો. તમે દેશની ભૂમિને કંપાવી છે, અને તેને ચીરી નાખી છે. તેની તિરાડોને સમારો; કારણ, ભેખડો તૂટી પડવાની અણી પર છે. તમે અમને, તમારા લોકને ભારે દુ:ખના દિવસો બતાવ્યા છે; તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષાસવ પાયો છે. તમે તમારા ભક્તોને ભયસૂચક વજા દર્શાવી છે. જેથી તેઓ ધનુર્ધારીઓનાં બાણથી નાસી છૂટે. (સેલાહ) અમને પ્રત્યુત્તર આપો; અને તમારા જમણા હાથથી અમને વિજય પમાડો. જેથી અમે, તમારાં પ્રિયજનો ઊગરી જઈએ. ઈશ્વરે પોતાના પવિત્રસ્થાનમાંથી આ વચન આપ્યું છે: “હું વિજયના આનંદ સાથે શખેમના પ્રદેશના ભાગ પાડીશ, અને સુક્કોથનો ખીણપ્રદેશ મારા લોકોમાં વહેંચી આપીશ.” ગિલ્યાદનો પ્રદેશ મારો છે અને મનાશ્શાનો પ્રદેશ પણ મારો છે. એફ્રાઈમનો પ્રદેશ મારો શિરતાજ છે, અને યહૂદિયાનો પ્રદેશ મારો રાજદંડ છે. મોઆબનો પ્રદેશ મારા હાથપગ ધોવાના પાત્ર સમાન બનશે. માલિકીની નિશાની તરીકે હું અદોમ પર મારું પગરખું નાખીશ પલિસ્તી પ્રદેશ પર હું જયઘોષ કરીશ. હે ઈશ્વર, મને કિલ્લેબંધ નગરમાં કોણ લઈ જશે? અદોમ સુધી મને કોણ પહોંચાડશે? હે ઈશ્વર, શું તમે સાચે જ અમારો ત્યાગ કર્યો છે? શું તમે અમારાં સૈન્યો સાથે કૂચ કરવાના નથી? શત્રુઓ વિરુદ્ધ અમને સહાય કરો. કારણ, માનવી સહાય વ્યર્થ છે. ઈશ્વર અમારે પક્ષે હોવાથી અમે વીરતાથી લડીશું; તે જ અમારા વૈરીઓને છૂંદી નાખશે. (સંગીત સંચાલક માટે સૂચના: તંતુવાદ્યોની સાથે ગાવા માટે, દાવિદનું ગીત) હે ઈશ્વર, મારી અરજ સાંભળો; મારી પ્રાર્થના પ્રતિ કાન ધરો. મારું હૃદય નિર્ગત થયું છે; અને હું પૃથ્વીને છેડેથી તમને પોકારું છું; જે ખડક પર હું જાતે ચઢી શક્તો નથી તે પર તમે મને લઈ જાઓ. કારણ, તમે જ મારા શરણસ્થાન છો; શત્રુઓ સામે મારા સંરક્ષક મિનારા સમ છો. હું સર્વકાળ તમારા મંડપમાં વાસ કરીશ; તમારી પાંખોની છાયામાં હું શરણ લઈશ. (સેલાહ) હે ઈશ્વર, તમે મારી માનતાઓ સાંભળી છે; તમારા ભક્તોને મળતો વારસો તમે મને આપ્યો છે. તમે રાજાને દીર્ઘાયુષ્ય બક્ષજો; તેનાં રાજનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થજો. તે ઈશ્વરની સંમુખ સર્વદા રાજ્યાસન પર બિરાજો; તમારાં પ્રેમ અને સત્યતા તેમનું રક્ષણ કરો. હું સદાસર્વદા તમારા નામનાં ગુણગાન ગાઈશ; અને દિનપ્રતિદિન મારી માનતાઓ પૂર્ણ કરીશ. (સંગીત સંચાલક માટે સૂચના: યદૂથુન રાગ પ્રમાણે ગાવા, દાવિદનું ગીત) મારો પ્રાણ સહાયને માટે માત્ર ઈશ્વરની ધીરજપૂર્વક રાહ જુએ છે; તે જ મને ઉગારે છે. એકલા તે જ મારા સંરક્ષક ખડક અને મારા ઉદ્ધારક છે; તે જ મારા શરણગઢ છે; તેથી હું નાસીપાસ થવાનો નથી. નમી ગયેલી ભીંત કે ભાંગી પડેલી વાડ જેવો હું છું. હે દુષ્ટો, મને પાડી નાખવા તમે ક્યાં સુધી આક્રમણ કરશો? તમે તો મને ઉચ્ચપદ પરથી ગબડાવી દેવાની યોજના કરો છો. તમે જૂઠથી હરખાઓ છો, મુખથી આશિષ ઉચ્ચારો છો, પણ દયથી તો શાપ દો છો. (સેલાહ) મારો પ્રાણ સહાયને માટે માત્ર ઈશ્વરની ધીરજપૂર્વક રાહ જુએ છે; કેમ કે હું તેમના પર જ આશા રાખું છું. એકલા તે જ મારા સંરક્ષક ખડક અને ઉદ્ધારક છે; તે જ મારા શરણગઢ છે; તેથી હું નાસીપાસ થવાનો નથી. ઈશ્વર પર જ મારા બચાવ અને સન્માનનો આધાર છે; ઈશ્વર પોતે મારા સમર્થ ખડક અને શરણસ્થાન છે. હે પ્રભુના લોક, તમે સદા ઈશ્વર પર ભરોસો રાખો, તેમની સમક્ષ તમારું હૃદય ઠાલવી દો; કારણ, તે જ આપણા શરણસ્થાન છે. (સેલાહ) સાચે જ સામાન્ય જનો વ્યર્થ છે અને ખાનદાન લોકો મિથ્યા છે, તેમને સૌને ત્રાજવામાં સાથે તોલવામાં આવે તો ય તેમનું પલ્લું ઊંચું થશે; કારણ, તેઓ તો શ્વાસ કરતાં યે હલકા છે. જુલમથી પડાવેલા પૈસા પર ભરોસો રાખશો નહિ; લૂંટેલી સંપત્તિથી લાભ થવાની આશા રાખશો નહિ; અને જો સંપત્તિમાં વૃદ્ધિ થાય, તો તે પર ચિત્ત ચોંટાડશો નહિ. ઈશ્વર એકવાર બોલ્યા છે; બેવાર મેં આ વાત સાંભળી છે, કે ‘સામર્થ્ય ઈશ્વરનું જ છે; અને હે પ્રભુ, પ્રેમ પણ તમારો જ છે; ત મે દરેકને તેનાં કાર્ય અનુસાર ફળ આપો છો.’ (દાવિદનું ગીત: તે યહૂદિયાના રણપ્રદેશમાં હતો તે સમયનું) હે ઈશ્વર, તમે જ મારા ઈશ્વર છો; હું આતુરતાથી તમારી ઝંખના સેવું છું. મારો પ્રાણ તમારે માટે તલસે છે, સૂકી, તાપે તપેલી તથા જલહીન ભૂમિ જેમ પાણી માટે તરસે, તેમ મારું હૃદય તમારે માટે તલપે છે. તમારા પવિત્રસ્થાનમાં મને તમારું દર્શન કરાવો. જેથી હું તમારાં સામર્થ્ય અને ગૌરવ નિહાળી શકું. તમારો પ્રેમ જીવન કરતાં ઉત્તમ છે. તેથી મારા હોઠો તમારું સ્તવન કરશે. હું તમને જીવનભર ધન્યવાદ આપીશ; તમારે નામે હું હાથ જોડીને પ્રાર્થના કરીશ. જાણે કે ભવ્ય ભોજનથી મારો પ્રાણ તૃપ્ત થયો હોય તેમ આનંદભર્યા હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ ગાશે. હું મારા બિછાનામાં તમારું સ્મરણ કરું છું, અને રાત્રિના પ્રહરોમાં તમારું ધ્યાન ધરું છું. કેમ કે તમે સદા મારા મદદગાર બન્યા છો, અને તમારી પાંખોની છાયામાં હું હર્ષભેર ગાઉં છું. હું તમને વળગી રહું છું, અને તમારો જમણો હાથ મને સંભાળે છે. પણ જેઓ મારો જીવ લેવા ચાહે છે તેઓ નાશ પામશે; તેઓ ધરતીનાં ઊંડાણોમાં ઊતરી પડશે. તેઓ તલવારની ધારથી માર્યા જશે, અને શિયાળવાંનો ભક્ષ થઈ પડશે. પરંતુ રાજા તો ઈશ્વરના વિજયમાં આનંદ કરશે, તેમને નામે શપથ લેનાર વિજય મળ્યાથી તેમની સ્તુતિ કરશે, પરંતુ જૂઠાઓનાં મોં બંધ કરાશે. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; શત્રુના ભયથી મારા જીવનની રક્ષા કરો. ભૂંડાઈ કરનારાઓનાં કાવતરાંથી, અને અન્યાય આચરનારાઓનાં ટોળાંથી મને સંતાડો. તેઓ પોતાની જીભોને તલવાર જેવી તીક્ષ્ણ બનાવે છે, તેઓ કટુ વાગ્બાણ તાકે છે. તેઓ છુપાઈને નિર્દોષોને વીંધવા માગે છે, તેઓ અચાનક બાણ મારે છે અને જરા ય ડરતા નથી. તેઓ પોતાનાં કાવતરાંમાં એકબીજાને ઉત્તેજન આપે છે, અને ગુપ્ત રીતે જાળો ક્યાં બિછાવવી તેની મસલત કરે છે. તેઓ કહે છે, “અમને કોણ જોનાર છે?” તેઓ ગુના કરવાનો ઘાટ ઘડીને કહે છે, “ખૂબ વિચારપૂર્વક ઘાટ ઘડયો છે.” સાચે જ મનુષ્યનાં અંતર અને હૃદય ગૂઢ છે!* પરંતુ ઈશ્વર તેમને તાકીને બાણ મારશે; તેઓ અચાનક ઘાયલ થઈ જશે. તેમની જીભના શબ્દો તેમના પતનનું કારણ બનશે, તેમને જોનારા ઠઠ્ઠાપૂર્વક પોતાનાં મસ્તકો હલાવશે. તેથી સર્વ મનુષ્યો ભયભીત થશે, તેઓ ઈશ્વરનાં કાર્યો પ્રસિદ્ધ કરશે, અને એમ ઈશ્વરનાં કાર્ય વિષે સમજણ મેળવશે. નેકજનો પ્રભુમાં આનંદ કરશે અને તેમનો આશરો લેશે, સર્વ સરળજનો પ્રભુનો જયજયકાર કરશે. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) હે સિયોનવાસી ઈશ્વર, તમારી સમક્ષ મૌન એ પણ સ્તુતિ છે. તમારી સમક્ષ માનતાઓ પૂર્ણ કરાશે. હે પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર, સમસ્ત માનવજાત પોતાનાં પાપોને લીધે તમારી પાસે આવશે. અમારા અપરાધ અમારા પર ફાવી જાય છે; પણ તમે તેમને માફ કરો છો. જેમને તમે પસંદ કરો છો, અને તમારા પ્રાંગણમાં વસાવો છો તેમને ધન્ય છે. અમે તમારા ઘરની, તમારા પવિત્ર મંદિરની ઉત્તમ આશિષોથી સંતુષ્ટ થઈશું. હે અમારા ઉદ્ધારક ઈશ્વર, અમારા ઉદ્ધારને માટે ભયાનક કામો કરીને તમે અમને ઉત્તર આપો છો. પૃથ્વીની સીમાઓએ વસેલા લોકો અને દરિયાપારના નિવાસીઓ તમારો જ આશરો લે છે. તમે તમારા બળ વડે પર્વતોને તેમને સ્થાને સ્થાપ્યા. તમે પરાક્રમથી વિભૂષિત છો. તમે સમુદ્રની ગર્જના અને તેમનાં મોજાંઓનો ધુઘવાટ શાંત પાડો છો, તમે પ્રજાઓનાં હુલ્લડ સમાવો છો. પૃથ્વીની સીમાઓ સુધી વસનારા લોકો તમારાં અદ્‍ભુત કાર્યોથી ડરે છે. તમે ઉદયાચલથી અસ્તાચલ સુધીના દેશોને હર્ષનાદ કરાવો છો. તમે ભૂમિની કાળજી લો છો અને વર્ષાથી તેને સિંચો છો; તમે તેને રસાળ અને ફળદ્રુપ બનાવો છો. હે ઈશ્વર, તમારી નદી પાણીથી ભરપૂર છે. તમે પૃથ્વીને તૈયાર કરીને મનુષ્યો માટે ધાન્ય પકવો છો. તમે ખેતરના ચાસોને ભરપૂર પાણી પીવડાવો છો, અને તેના ચાસો વચ્ચેની ધારોને સપાટ કરો છો; તમે ઝાપટાંથી જમીનને પોચી બનાવો છો, તમે ફૂટતા અંકૂરોને આશિષ દઈ વિક્સાવો છો. તમે તમારી ઉદારતાથી વર્ષને આબાદીનો મુગટ પહેરાવો છો. તમારી કેડીઓ પર અમી વરસે છે. વેરાન પ્રદેશનાં ચરાણો પર પણ ઝાકળ ટપકે છે. ટેકરીઓ હર્ષથી વિભૂષિત બને છે. ઘાસનાં બીડો ટોળાંઓથી ઢંકાઈ જાય છે, ખીણપ્રદેશો ધાન્યથી આચ્છાદિત બને છે; તેઓ હર્ષનાદ કરે છે અને આનંદથી ગાય છે. (સંગીત સંચાલક માટે સૂચના: સ્તુતિ અને ગાયન) હે સર્વ પૃથ્વીવાસીઓ! ઈશ્વરનો જયજયકાર કરો! તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ, તેમનાં યશોગાનને મહિમાવાન બનાવો. ઈશ્વરને કહો, “તમારાં કાર્યો કેવાં અદ્‍ભુત છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી સમક્ષ ભયથી નમી પડે છે. પૃથ્વીના સર્વ નિવાસીઓ તમારી ભક્તિ કરે છે; તેઓ તમારી સ્તુતિ ગાય છે અને તમારાં નામનાં સ્તવનો ગાય છે. (સેલાહ) આવો, અને ઈશ્વરનાં મહાન કાર્યોનું અવલોકન કરો; મનુષ્યો પ્રત્યેનાં તેમનાં કાર્ય અદ્‍ભુત છે. તેમણે સમુદ્રને સૂકી ભૂમિમાં ફેરવી નાખ્યો હતો, આપણા પૂર્વજોએ પગે ચાલીને યર્દન નદી પાર કરી હતી; ત્યાં આપણે ઈશ્વરમાં આનંદ કર્યો. તે પોતાના પરાક્રમથી સદા રાજ કરે છે, તેમની આંખો રાષ્ટ્રોની તપાસ રાખે છે; તેથી તેમની સામે કોઈ વિદ્રોહી ઊભા ન થાય! (સેલાહ) હે સર્વ પ્રજાઓ, અમારા ઈશ્વરને ધન્યવાદ આપો. તેમના સ્તવનનો વનિ સર્વત્ર સંભળાવો. તેમણે આપણને જીવતા રાખ્યા છે, અને આપણા પગને લપસવા દીધા નથી. હે ઈશ્વર, તમે અમારી પારખ કરી છે. જેમ ચાંદી શુદ્ધ કરાય તેમ તમે અમને શુદ્ધ કર્યા છે. તમે અમને જાળમાં પડવા દીધા, અને અમારી પીઠ પર ભારે બોજ મૂક્યો. તમે અમારાં શિર ઘોડેસવારોની પાસે કચડાવ્યાં. અમારે અગ્નિ તથા પાણીમાં થઈને પસાર થવું પડયું. છતાં આખરે તમે અમને વિપુલતાના પ્રદેશમાં પહોંચાડયા.” હું તમારા મંદિરમાં દહનબલિ લઈને આવીશ, હું તમારી સમક્ષ માનેલી માનતાઓ પૂર્ણ કરીશ. સંકટને સમયે મેં મારે મુખે જે વચનો આપ્યાં અને મારે હોઠેથી જે ઉચ્ચાર્યું તે હું પૂર્ણ કરીશ. ઘેટાંઓના બલિદાનના ધૂપ સાથે હું તમારી આગળ પુષ્ટ પ્રાણીઓના દહનબલિ ચડાવીશ; અને બકરાઓ સાથે આખલાના બલિ પણ ચડાવીશ. હે ઈશ્વરના ભક્તો, આવો, અને સાંભળો. તેમણે મારે માટે કરેલાં બધાં કાર્ય હું કહી બતાવીશ. મારા મુખે સહાય માટે તેમને પોકાર કર્યો, અને મારી જીભે તેમનાં યશોગાન ગાયાં. જો મેં મારા હૃદયમાં ભૂંડાઈ રાખી હોય, તો પ્રભુએ મારું સાંભળ્યું જ ન હોત. પરંતુ ઈશ્વરે સાચે જ મારું સાંભળ્યું છે, અને તેમણે મારી પ્રાર્થના પ્રત્યે ધ્યાન આપ્યું છે. ઈશ્વરને ધન્ય હોજો! તેમણે મારી પ્રાર્થના નકારી નથી, અને તેમનો પ્રેમ મારાથી દૂર કર્યો નથી. (સંગીત સંચાલક માટે સૂચના: તંતુવાદ્યોની સંગતમાં ગાવાનું ગીત, ગાયન) હે ઈશ્વર, અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો, તમારા માયાળુ મુખનો પ્રકાશ અમારા પર પાડો; (સેલાહ) જેથી સર્વ પૃથ્વીવાસીઓ તમારો માર્ગ જાણે અને બધી પ્રજાઓ સમક્ષ તમારો ઉદ્ધાર પ્રગટ થાય. હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; બધી પ્રજાઓ તમને ધન્યવાદ આપે. પ્રજાઓ આનંદિત થઈ જયજયકાર કરે; કારણ, તમે પ્રજાઓનો અદલ ઇન્સાફ કરો છો, અને પૃથ્વી પરની દરેક પ્રજાને માર્ગદર્શન આપો છો. (સેલાહ) હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે, બધી પ્રજાઓ તમને ધન્યવાદ આપે. ભૂમિએ પોતાની ઊપજ આપી છે. ઈશ્વરે, અમારા ઈશ્વરે અમને આશીર્વાદ આપ્યો છે. ઈશ્વર અમને આશીર્વાદ આપો અને પૃથ્વીની સર્વ સીમાઓ સુધીના લોકો ઈશ્વરનો આદરયુક્ત ભય રાખો. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) ઈશ્વર જેવા ઊભા થાય છે કે તેમના શત્રુઓ વિખેરાઈ જાય છે. તેમના દ્વેષીઓ પરાજય પામી નાસી છૂટે છે. જેમ ધૂમાડો ઊડી જાય છે તેમ ઈશ્વર તેમને હાંકી કાઢે છે. જેમ અગ્નિ સમક્ષ મીણ પીગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વર સમક્ષ નાશ પામે છે. પરંતુ નેકજનો આનંદ કરે છે; તેઓ ઈશ્વર સમક્ષ હરખાય છે, અને તેઓ આનંદોલ્લાસથી હર્ષનાદ કરે છે. ઈશ્વરનું સ્તવન કરો; તેમના નામની સ્તુતિ ગાઓ; વાદળો પર સવારી કરનાર ઈશ્વરને માટે માર્ગ તૈયાર કરો; તેમનું નામ યાહ છે, તેમની સંમુખ ઉલ્લાસ કરો. અનાથોના પિતા અને વિધવાઓના હિમાયતી એવા ઈશ્વર પોતાના પવિત્ર નિવાસસ્થાનમાં છે. ઈશ્વર એક્કીજનોને કુટુંબવાળા બનાવે છે, અને બંદીવાનોને મુક્ત કરી તેમને ગાતાં ગાતાં દોરી જાય છે; પરંતુ વિદ્રોહીઓ સૂકી મરુભૂમિમાં છોડી દેવાયા છે. હે ઈશ્વર, તમે તમારા લોકની આગળ ચાલ્યા, અને તમે રણપ્રદેશમાં થઈને કૂચ કરી. (સેલાહ) તે સમયે, હે ઇઝરાયલના ઈશ્વર, સિનાઈ પર્વત પર તમારી સમક્ષ ધરતી ધ્રૂજી ઊઠી, અને આભ વરસી પડયું. હે ઈશ્વર, તમે મુશળધાર વરસાદ મોકલ્યો. તમે જ આપેલ વારસાનો પ્રદેશ સુક્યો ત્યારે તમે તેને તરબોળ કર્યો. તમારા પોતાના લોકો ત્યાં વસ્યા; હે ઈશ્વર, તમારી ભલાઈને લીધે તમે કંગાલોનું પોષણ કર્યું. પ્રભુએ આદેશ આપ્યો, અને પછી જે બન્યું તે નારીવૃંદના ગીતમાં ઘોષિત થયું છે: રાજાઓ અને તેમનાં સૈન્યો નાસી છૂટે છે. તેઓ નાસી જાય છે અને ઘેર રહેનારી સ્ત્રીઓને પણ લૂંટમાં ભાગ મળે છે. તમારામાંના જેઓ ઘેટાં સાચવવા ઘેટાંના વાડામાં રહ્યા હતા, તે તમને ય ચાંદીના ઢાળવાળી કબૂતરોની પ્રતિમાઓ મળી, જેમની પાંખો શુદ્ધ સુવર્ણથી ચમક્તી હતી. જ્યારે સર્વસમર્થ ઈશ્વરે રાજાઓને વેરવિખેર કરી નાખ્યા ત્યારે જાણે સાલ્મોન પર્વત પર હિમવર્ષા થયા જેવું લાગ્યું. હે ઉન્‍નત પર્વત બાશાન, હે ઘણાં શિખરોવાળા બાશાન પર્વત! હે ઘણાં શિખરોવાળા પર્વત, ઈશ્વરે પોતાના નિવાસ માટે પસંદ કરેલા પર્વતને તું ઈર્ષાથી કેમ જુએ છે? પ્રભુ ત્યાં સદાસર્વદા વાસ કરશે! પ્રચંડ રથોની સાથે, હજારો અને લાખો રથોની સાથે, પ્રભુ સિનાઈ પર્વત પરથી પોતાના પવિત્રસ્થાનમાં જાય છે. તમે ઘણા બંદીવાનોને લઈને ઉન્‍નત સ્થાને ચઢયા, બલ્કે, તમે શરણે આવેલા વિદ્રોહીઓ પાસેથી નજરાણાં સ્વીકાર્યાં. હવે હે પ્રભુ ઈશ્વર, તમે ત્યાં વાસ કરો છો. પ્રભુને ધન્યવાદ હો; એ આપણા ઉદ્ધારર્ક્તા ઈશ્વર પ્રતિદિન આપણા બોજ ઊંચકી લે છે. ઈશ્વર જ આપણો ઉદ્ધાર કરનાર છે; આપણા ઈશ્વર યાહવે પાસે મૃત્યુમાંથી છૂટવાના માર્ગો છે. સાચે જ, ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં અને પાપમાં રચ્યાપચ્યા રહેનારાની જુલ્ફાંવાળી ખોપરીઓ ભાંગી નાખશે. પ્રભુ કહે છે, “હું તમારા દુશ્મનોને બાશાનમાંથી પાછા લાવીશ; હું તેમને સમુદ્રના ઊંડાણોમાંથી કાઢી લાવીશ; જેથી તમે તેમના રક્તમાં પગ ખૂંદીને ચાલી શકો, અને તમારા કૂતરાઓની જીભોને વૈરીઓનું રક્ત ચાટી ખાવા મળે.” ઈશ્વર મારા રાજાની વિજયયાત્રા તેમના પવિત્રસ્થાન તરફ જતી બધાએ નિહાળી છે. આગળ ગાયકો અને પાછળ વાદકો ચાલે છે, અને વચમાં કન્યાઓ ખંજરી બજાવતી ચાલે છે. “મહામંડળીમાં ઈશ્વરને ધન્ય કહો, ઇઝરાયલના સંમેલનમાં પ્રભુની સ્તુતિ કરો. સૌથી નાનું કુળ બિન્યામીન, સૌથી આગળ ચાલે છે. પછી યહૂદા કુળના આગેવાનો તેમના સમૂહ સાથે છે અને તેમની પાછળ ઝબુલૂન અને નાફતાલી કુળના આગેવાનો છે. હે ઈશ્વર, તમારું સામર્થ્ય પ્રગટ કરો! એ સામર્થ્ય વડે તમે અમારે માટે મહાન કાર્યો કર્યાં હતાં. હે ઈશ્વર, યરુશાલેમમાં તમારું મંદિર છે. ત્યાં રાજાઓ તમારે માટે ભેટો લાવશે. બરુઓમાં વસવાટ કરનાર જંગલી પશુ સમા અને વાછરડાઓ સહિતના આખલાઓના ટોળા જેવા ઇજીપ્તને ધમકાવો; તેમને લળીલળીને ચાંદીની ભેટો ધરતા કરી દો, અને યુદ્ધમાં રાચતી પ્રજાઓને વિખેરી નાખો. ઇજીપ્તના રાજદૂતો નજરાણામાં જાંબલી રાજદ્વારી કાપડ લાવશે; કૂશ દેશના લોકો તરત જ પોતાના હાથમાં ભેટો લઈને આવશે. પૃથ્વીનાં સર્વ રાજ્યો, ઈશ્વરની સમક્ષ ગીત ગાઓ; પ્રભુનું સ્તવન કરો. (સેલાહ) તે યુગયુગ જૂનાં આકાશ પર સવારી કરે છે, તેમની પ્રચંડ વાણીથી તેઓ ગાજી ઉઠે છે. ઈશ્વરના સામર્થ્યનો સ્વીકાર કરો; તેમનો પ્રતાપ ઇઝરાયલ પર છે, અને તેમનો સત્તાધિકાર નભોમંડળમાં વ્યાપેલો છે. ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં કેવા ભયાવહ છે! ઇઝરાયલના ઈશ્વર પોતાની પ્રજાને શક્તિ બક્ષીને બળવાન કરે છે. ઈશ્વરને ધન્ય હો! (સંગીત સંચાલક માટે સૂચના: રાગ, કમલ ફૂલ ચ-હિબ્રૂ: શોશાન્‍નીમૃ-દાવિદનું ગીત) હે ઈશ્વર, મને ઉગારો, કેમ કે મારા ગળા સુધી પાણી ચઢી આવ્યું છે. હું ઊંડા કીચડમાં ડૂબી રહ્યો છું, અને પગ ટેકવવા કશો આધાર નથી. હું ઊંડા પાણીમાં આવી પડયો છું, અને મારે માથે છોળો ફરી વળી છે. મદદ માટેના પોકારો પાડી પાડીને હું થાકી ગયો છું. મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની પ્રતીક્ષા કરતાં કરતાં મારી આંખો ક્ષીણ બની છે. વિનાકારણ મારી ઘૃણા કરનારા મારા માથાના વાળ કરતાં વધારે છે. મારો નાશ કરવા ઇચ્છનારા બળવાન છે અને તેઓ વિનાકારણ મારા શત્રુઓ બન્યા છે. જે મેં ચોર્યું નથી તે હું કઈ રીતે પાછું આપું? હે ઈશ્વર, મારો દોષ તમારાથી છુપાયેલો નથી, અને તમે મારી મૂર્ખતા જાણો છો. હે સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, તમારી પ્રતીક્ષા કરનારા મારે કારણે લજ્જિત ન બનો. હે ઇઝરાયલના ઈશ્વર, તમારા આતુર ઉપાસકો મારે કારણે અપમાનિત ન બનો. તમારે લીધે મેં નિંદા વેઠી છે; મારું મુખ શરમથી છવાઈ ગયું છે. હું મારા ભાઈઓ માટે અજાણ્યા જેવો અને મારા માજણ્યાઓ માટે પરદેશી જેવો બન્યો છું. તમારા મંદિર માટેની લગની મને ખાઈ નાખે છે; તમારા નિંદકો તમારી નિંદા કરે ત્યારે હું અપમાન અનુભવું છું. જ્યારે ઉપવાસ સહિત રુદનમાં મેં મારો પ્રાણ રેડી દીધો, ત્યારે એ પણ મારી નિંદાનું નિમિત્ત બન્યું. જ્યારે મેં શોકમાં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે હું તેમને માટે ચર્ચાસ્પદ થઈ પડયો. ચૌટે બેસનારા મારે વિષે ચર્ચા કરે છે, અને નશાબાજો મારે વિષે ગીતો રચે છે. પરંતુ હે પ્રભુ, હું તો તમને જ પ્રાર્થના કરું છું. હે ઈશ્વર, તમારી સદ્ભાવના દાખવવાના આ સમયે તમારા મહાન પ્રેમને લીધે તમારા વિશ્વાસુપણામાં તમારાં ઉદ્ધારક કાર્યો વડે મને ઉત્તર દો. મને કીચડમાંથી બહાર ખેંચી કાઢો, મને ડૂબવા ન દો; મને મારા શત્રુ, મૃત્યુથી બચાવો અને ઊંડા પાણીથી મને ઉગારો. જોજો કે, પાણીની છોળો મને ડૂબાવી ન દે, ઊંડાણ મને ગળી ન જાય, અને કબર તેનું મુખ મારા પર બંધ કરી ન દે. હે પ્રભુ, તમારા પ્રેમથી ભલમનસાઈ રાખીને મને ઉત્તર દો; તમારી અસીમ અનુકંપાથી મારી તરફ ફરો. તમારા આ સેવકથી તમારું મુખ સંતાડશો નહિ; હું સંકટમાં છું; મને સત્વરે ઉત્તર દો. મારી સમીપ આવી મારા પ્રાણને છોડાવો. મારા શત્રુઓથી મને મુક્ત કરો. તમે મારાં નિંદા, શરમ અને કલંકથી માહિતગાર છો; અને તમે મારા વૈરીઓથી અજાણ નથી. મારા વૈરીઓની નિંદાથી મારું હૃદય હતાશ થઈ ભાંગી પડયું છે. મેં સહાનુભૂતિની આશા રાખી, પણ તે મળી નહિ, અને સાંત્વન દેનારની પ્રતીક્ષા કરી, પણ કોઈ મળ્યું નહિ. તેમણે મારા ખોરાકમાં ઝેર ભેળવ્યું. મને તરસ લાગી ત્યારે તેમણે આસવનો સરકો પીવા આપ્યો. તેમની મિજબાનીઓ તેમને માટે જાળરૂપ બનો અને તેમનાં પવિત્ર ભોજનો તેમને માટે ફાંદારૂપ બનો. તેમની આંખો જોઈ ન શકે તેવી અંધકારમય બનાવી દો; તેમની કમરો સતત ધ્રૂજ્યા કરે એવી નબળી કરી દો; તેમના પર તમારો કોપ વરસાવો; તમારો ક્રોધાગ્નિ તેમને પકડી પાડો. તેમની છાવણીઓ ઉજ્જડ બનો; તેમના તંબૂઓમાં કોઈ વાસ ન કરો. કારણ, જેને તમે શિક્ષા કરી છે, તેના પર તેઓ જુલમ કરે છે; અને જેને તમે ઘાયલ કર્યો છે, તેની પીડા વિષે તેઓ ખુશ થઈને ગુસપુસ વાતો કરે છે. તેમની અનીતિ માટે તેમને સજા પર સજા ફટકારો, અને તમારા ઉદ્ધારથી તેમને વંચિત રાખો. જીવનના પુસ્તકમાંથી તેમનાં નામ ભૂંસી નાખો; સદાચારીઓમાં એમની નોંધ ન રાખો. પરંતુ હું પીડિત છું અને વેદના અનુભવું છું. હે ઈશ્વર, તમારી ઉદ્ધારક શક્તિથી મને ઊંચો ઉઠાવો. હું ગીતોથી ઈશ્વરના નામની સ્તુતિ કરીશ, અને આભારસ્તુતિ દ્વારા હું તેમની મહાનતા પ્રગટ કરીશ. એ સ્તુતિ પ્રભુને ગોધાના બલિ કરતાં અને પુખ્ત આખલાના બલિ કરતાં વધુ પસંદ પડશે. પીડિતજનો તે જોઈને આનંદ પામશે; હે ઈશ્વરના શોધકો, તમારાં હૃદયો નવજીવન પામો. પ્રભુ ગરીબોનું સાંભળે છે, અને કેદમાં પડેલા પોતાના લોકોને વીસરી જતા નથી. આકાશ અને પૃથ્વી ઈશ્વરનું સ્તવન કરો, સમુદ્રો અને તેમાંનાં સર્વ જળચરો તેમની સ્તુતિ કરો; કારણ, ઈશ્વર સિયોન નગરને બચાવશે, અને યહૂદિયા પ્રદેશનાં નગરોને ફરી બાંધશે; તેમના લોકો ત્યાં વસશે અને તે ભૂમિને કબજે કરશે. તેમના ભક્તોના વંશજો વચનના પ્રદેશનો વારસો ભોગવશે, અને તેમના નામ પર પ્રીતિ કરનારાં તેમાં વસશે. (સંગીત સંચાલક માટે સૂચના: યાદગીરીને અર્થે દાવિદનું ગીત) હે ઈશ્વર, મને ઉગારો; હે પ્રભુ, સત્વરે મારી સહાય કરો. જેઓ મારો જીવ લેવા પ્રયાસ કરે છે તેમને તમે લજ્જિત કરો અને ગૂંચવી નાખો. જેઓ મને ઈજા પહોંચાડવાની ઇચ્છા રાખે છે, તેમને તમે નસાડો અને અપમાનિત કરો. જેઓ મારી ઠેકડી ઉડાડતાં ‘આહા, આહા’ કહે છે, તેમને તમે તેમની શરમજનક મશ્કરીને લીધે પાછા હટાવો. પરંતુ તમારા શોધકો તમારાથી હર્ષિત અને આનંદિત બનો; તમારા ઉદ્ધારના ચાહકો નિત્ય કહો કે, “ઈશ્વર કેટલા મહાન છે!” હું પીડિત અને દરિદ્ર છું; હે ઈશ્વર, સત્વરે મારી સહાય કરો. તમે જ મારા બેલી અને મુક્તિદાતા છો; હે પ્રભુ, વિલંબ ન કરો. હે પ્રભુ, હું તમારે શરણે આવ્યો છું. મને કદી લજ્જિત ન થવા દો. તમારા વિશ્વાસુપણાને લીધે મને છોડાવો અને ઉગારો. તમારા કાન મારી તરફ ધરો અને મને બચાવો. તમે મારા રક્ષણ માટે શરણગઢ બનો; કારણ, તમે મને બચાવવાનું વચન આપ્યું છે; તમે જ મારા ખડક અને ગઢ છો. હે મારા ઈશ્વર, દુષ્ટોના હાથમાંથી તથા અન્યાયી અને ઘાતકી માણસોની પકડમાંથી મને છોડાવો. હે પ્રભુ, મારી આશા તમારા પર જ છે; હે પ્રભુ, નાનપણથી જ હું તમારા પર ભરોસો રાખું છું. હું માતાના ઉદરમાં હતો ત્યારથી જ તમે મારા આધાર બન્યા છો; અને જન્મ્યો ત્યારથી તમે મારા રક્ષક છો; હું નિત્ય તમારી સ્તુતિ કરીશ. હું ઘણાંને માટે સંકેતરૂપ થઈ પડયો છું; કારણ, તમે મારા આશ્રયના ગઢ બન્યા છો. મારું મુખ તમારા સ્તવનથી ભરપૂર છે. આખો દિવસ હું તમારી શ્રેષ્ઠતા પ્રગટ કરું છું. મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દેશો, મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કરશો. મારી હત્યા કરવા તાકી રહેનારા અંદરોઅંદર મસલત કરે છે; મારા શત્રુઓ મારે વિષે આવી વાતો કરે છે: “ઈશ્વરે તેનો ત્યાગ કર્યો છે, અને તેને બચાવનાર કોઈ જ નથી. તેથી ચાલો, આપણે તેનો પીછો કરી તેને પકડી પાડીએ.” હે ઈશ્વર, મારાથી દૂર ન રહો. હે મારા ઈશ્વર, સત્વરે મારી મદદે આવો. મારા પર આક્ષેપ મૂકનારા લજ્જિત થઈ નાશ પામો; મને હાનિ પહોંચાડવા યત્ન કરનારા નિંદા અને અપમાનથી ઢંકાઈ જાઓ. હું નિરંતર તમારા પર આશા રાખીશ, અને હું તમારું સ્તવન અધિક્ધિક કરીશ. મારું મુખ તમારી ભલાઈ અને તમે કરેલાં ઉદ્ધારનાં કાર્યો નિત્ય પ્રગટ કરશે; જો કે હું તેમની સંખ્યા જાણતો નથી! હે પ્રભુ, હું તમારાં પરાક્રમી કામોનું વર્ણન કરતાં તમારા ઘરમાં આવીશ; હે પરમેશ્વર, હું માત્ર તમારી ભલાઈનાં કાર્યો જ વર્ણવીશ. હે ઈશ્વર, હું નાનો હતો ત્યારથી તમે મને શીખવ્યું છે, અને હજુ પણ હું તમારાં અદ્‍ભુત કાર્યો પ્રગટ કરું છું. હે ઈશ્વર, હું વૃદ્ધ થાઉં અને માથે પળિયાં આવે ત્યારેય મારો ત્યાગ કરશો નહિ; જેથી હું આગામી પેઢીને તમારા બળ વિષે જણાવું, અને આગંતુક પેઢીના પ્રત્યેક જનને તમારું પરાક્રમ પ્રગટ કરું. હે ઈશ્વર, તમારું વિશ્વાસુપણું આકાશ સુધી પહોંચે છે, તમે મહાન કાર્યો કર્યાં છે. હે ઈશ્વર, તમારા સમાન કોણ છે? જો કે તમે મને ઘણાં પીડાકારક સંકટો જોવાં દીધાં છે, પરંતુ તમે મને નવજીવન આપશો અને પૃથ્વીના ઊંડાણોમાંથી તમે મને પાછો ઉપર કાઢી લાવશો. તમે મને હજુ વધુ માનવંત બનાવશો, અને તમે મને પુન: સાંત્વન આપશો. હે મારા ઈશ્વર, તમારા વિશ્વાસુપણાને લીધે હું વીણા સાથે તમારી આભારસ્તુતિ ગાઈશ. હે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, હું તાનપુરા સાથે તમારાં સ્તોત્રો ગાઈશ. હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો જયજયકાર કરશે, અને મારો ઉદ્ધાર પામેલો પ્રાણ તમારામાં હરખાશે. મારી જીભ પણ નિત્ય તમારા વિશ્વાસુપણા વિષે વાત કરશે; કારણ, મારું ભૂંડું કરવા મથનારા લજ્જિત થઈ અપમાનિત બન્યા છે. (શલોમોનનું ગીત) હે ઈશ્વર, અમારા રાજાને તમારા જેવો અદલ ઇન્સાફ કરનાર બનાવો, તેના રાજવી વ્યક્તિત્વને ન્યાયપ્રિયતા પ્રદાન કરો. જેથી તે તમારા લોક પર નેકીથી શાસન કરે, તથા તમારા પીડિત જનો પર ન્યાયપૂર્વક શાસન કરે. દરેક પહાડ અને ટેકરી પર ઇન્સાફ અને શાંતિનું શાસન પ્રવર્તાઓ. રાજા નિરાધારોના હકનું સમર્થન કરો, અને પીડિતજનોને જુલમમાંથી છોડાવો, અને તેમના અત્યાચારીઓને છૂંદી નાખો. સૂર્ય ચંદ્ર તપે ત્યાં લગી, એટલે પેઢી દરપેઢી તે તમારો આદરયુક્ત ભય રાખો. કાપેલાં ગોચરો પર વરસતા વરસાદ સમાન અને ધીખતી ધરાને સીંચતાં ઝાપટાં સમાન રાજા આશિષદાયક બની રહો. તેના સમયમાં નેકી પાંગરો, અને ચંદ્ર ન રહે ત્યાં સુધી સમૃદ્ધિ ટકી રહો. તેની રાજસત્તા એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી અને યુફ્રેટિસ નદીથી તે પૃથ્વીની સીમાઓ સુધી વિસ્તરો. રણપ્રદેશની જાતિઓ તેની આગળ નમો અને તેના શત્રુઓ તેની સમક્ષ ધૂળ ચાટતા થઈ જાઓ. તાર્શીશના તથા દરિયાપારના રાજાઓ તેને નજરાણાં ધરો, અને શેબા તથા શેબાના રાજાઓ તેને ખંડણી ભરો. સર્વ રાજાઓ તેની આગળ પ્રણામ કરો અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરો. ગરીબો પોકાર કરે ત્યારે તે તેમને જરૂર છોડાવશે. પીડિત અને નિ:સહાય જનોને તે સહાય કરશે. તે નિર્બળ અને ગરીબો પર દયા દાખવશે, અને પીડિતોના પ્રાણ બચાવશે. જુલમ અને હિંસામાંથી તે તેમને મુક્ત કરશે; તેની દષ્ટિમાં તેમના જીવ મૂલ્યવાન છે. રાજા ચિરંજીવી બનો; શેબાનું સુવર્ણ તેને ધરવામાં આવો, તેને માટે નિરંતર પ્રાર્થના ગુજારવામાં આવો; તેના ઉપર સદા ઈશ્વરની આશિષ ઊતરો. દેશમાં વિપુલ ધાન્ય પાકો, અને પર્વતોનાં શિખરો પર પણ પાક વિલસી રહો; લબાનોન પર્વતની જેમ ત્યાં ફળો લચી પડો, અને ઘાસથી ભરપૂર મેદાનોની જેમ નગરો માણસોથી ઊભરાઈ રહો. તેનું નામ અમર રહો! સૂર્ય તપે ત્યાં સુધી તેની કીર્તિ તપો! સર્વ રાષ્ટ્રો તેના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરો અને તેઓ તેને ધન્ય કહો. ઇઝરાયલના ઈશ્વર પ્રભુને ધન્ય હો; એકલા તે જ અજાયબ કાર્યો કરે છે. તેમના ગૌરવી નામને સદાસર્વદા ધન્ય હો; અને સમસ્ત સૃષ્ટિ તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન! આમીન! યિશાઈના પુત્ર દાવિદનાં પ્રાર્થના-ગીતો અહીં સમાપ્ત થાય છે. (આસાફનું ગીત) ઇઝરાયલી લોકોમાં શુદ્ધ દયવાળા માટે ઈશ્વર સાચે જ ભલા છે. પરંતુ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી; અને મારાં પગલાં લપસી પડવાની તૈયારીમાં હતાં. કારણ, મેં દુષ્ટ લોકોની આબાદી નિહાળી અને તે ઘમંડી લોકો પર મને ઈર્ષા થઈ આવી. દુષ્ટોનું મૃત્યુ ફાંસીએ થતું નથી; એથી ઊલટું, તેમનાં શરીર પણ તંદુરસ્ત અને મજબૂત હોય છે. અન્ય માણસોની જેમ તેમને મુશ્કેલીઓ નડતી નથી અને બીજા માણસોની જેમ તેમનાં પર દુ:ખો આવતાં નથી. તેથી અહંકાર દુષ્ટોના ગળાનો હાર છે અને જુલમ તેમનો પોશાક છે. તેમની આંખો ઘમંડથી ભરેલી હોય છે, અને દુષ્ટ વિચારોથી તેમનાં મન ઊભરાય છે. દુષ્ટો બીજાઓને ધૂત્કારે છે અને તેમના વિષે ભૂંડી વાતો કરે છે. તેઓ અહંકારપૂર્વક જુલમ ગુજારવાની ધમકી આપે છે. દુષ્ટો તેમનું મુખ આકાશના ઈશ્વર વિરુદ્ધ ઉઠાવે છે: તેમની જીભ પૃથ્વી પર ફરી વળે છે. તેથી માણસો તેમની પાછળ પાછળ જાય છે, અને દુષ્ટોની વાતો આતુરતાથી માની લે છે. દુષ્ટો કહે છે, “ઈશ્વર કેવી રીતે જાણી શકે? અને શું સર્વોચ્ચ ઈશ્વર પાસે કંઈ જ્ઞાન છે?” અરે, દુષ્ટો તો આવા હોય છે; તેમને સદા નિરાંત હોય છે અને તેમનું ધન વયા જ કરે છે. મારા દયને શુદ્ધ રાખવાનો કંઈ અર્થ ખરો? અને મેં મારા હાથ નિર્દોષ રાખ્યા તેથી શો લાભ થયો? હે ઈશ્વર, હું તો આખો વખત પીડા ભોગવું છું, અને દર સવારે મને શિક્ષા કરવામાં આવે છે. જો મેં આવી વાતો ઉચ્ચારી હોત, તો મેં ઈશ્વરના લોકનો દ્રોહ કર્યો હોત. મેં આ સમસ્યા સમજવા ઊંડો વિચાર કર્યો, ત્યારે મને એ વાત અતિ કઠિન લાગી. પરંતુ કેવળ ઈશ્વરના પવિત્ર સ્થાનમાં જવાથી જ મને દુષ્ટોના આખરી અંજામ વિષે સાચી સમજ પડી. સાચે જ તમે દુષ્ટોને લપસણા સ્થાનોમાં મૂકો છો, અને તમે તેમને વિનાશના ગર્તમાં ગબડાવી દો છો તેઓ ક્ષણમાં જ પાયમાલીનો ભોગ બને છે અને આતંકો દ્વારા ઘસડી જવાય છે. જાગતાંવેંત જેમ સ્વપ્નનો આભાસ ભૂલી જવાય છે, તેમ હે પ્રભુ, તમે જાગશો ત્યારે દુષ્ટોને તમારી સ્મૃતિમાંથી દૂર કરશો. જ્યારે મારું મન ખાટું થયું હતું અને મારા અંત:કરણમાં બળતરા થતી હતી, ત્યારે હું તો મૂર્ખ અને અજ્ઞાન હતો, અને તમારા પ્રત્યે પશુ સમાન જડ હતો. છતાં હું નિરંતર તમારી નિકટ છું; તમે મારો જમણો હાથ પકડયો છે. તમારા બોધ દ્વારા તમે મને દોરશો; અને આખરે તમારા મહિમામાં મારો અંગીકાર કરશો. તમારા સિવાય સ્વર્ગમાં મારું કોણ છે? અને પૃથ્વી પર મને બીજા કોઈની ઝંખના નથી. મારું શરીર અને મારું મન નબળાં થતાં જશે, પરંતુ ઈશ્વર મારા દયના સમર્થ સંરક્ષક છે, અને તે જ મારો સાર્વકાલિક વારસો છે. તમારાથી દૂર થનારા નિ:સંદેહ નાશ પામશે; તમારા પ્રત્યે બેવફા થનારાઓને તમે સમૂળગા નષ્ટ કરશો. પરંતુ ઈશ્વરની સમીપ રહેવામાં જ મારું કલ્યાણ છે; હે પ્રભુ પરમેશ્વર, હું તો તમારે શરણે આવ્યો છું, જેથી હું તમારાં સર્વ અજાયબ કાર્યો પ્રગટ કરું. (આસાફનું માસ્કીલ) હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચરાણનાં ઘેટાં વિરુદ્ધ તમારો ક્રોધાગ્નિ કેમ ભભૂકી ઊઠયો છે? તમારા લોકનો સમુદાય જેને તમે પ્રાચીનકાળથી પોતાનો બનાવ્યો તેનું સ્મરણ કરો; તમારા વારસાનું કુળ જેને તમે મુક્ત કર્યું તેને સંભારો; સિયોન પર્વત જ્યાં તમે વાસ કર્યો છે તેને યાદ કરો. અમારા શત્રુઓએ પવિત્ર મંદિરની એકેએક વસ્તુનો નાશ કર્યો છે; પૂરેપૂરા ખંડિયેર બનેલાં આ સ્થાનો તરફ તમારાં પગલાં વાળો, તમારા સભાસ્થાનમાં વૈરીઓએ વિજયની ગર્જનાઓ કરી છે; તેમણે ત્યાં પોતાની વિજયપતાકાઓ ઊભી કરી છે. તેઓ કુહાડાથી વનનાં વૃક્ષો કાપનારા કઠિયારા જેવા જણાયા હતા. તેમણે કુહાડીઓ અને ફરસીઓથી લાકડાની સર્વ નકશીદાર કમાનો તોડી પાડી. તેમણે તમારા મંદિરને આગ લગાડીને જમીનદોસ્ત કર્યું, અને તમારા નામના નિવાસસ્થાનને અભડાવ્યું. તેમણે પોતાના મનમાં વિચાર્યું, “અમે તેમનું નામનિશાન મિટાવી દઈશું.” તેમણે દેશનાં સર્વ સભાસ્થાનો સળગાવી દીધાં. અમે કોઈ પવિત્ર પ્રતીકો જોતા નથી. ઈશ્વરનો કોઈ સંદેશવાહક રહ્યો નથી, અને આ બધું ક્યાં સુધી ચાલશે તે કહેનાર કોઈ દષ્ટા નથી હે ઈશ્વર, વેરીઓ ક્યાં સુધી તમારો ઉપહાસ કરશે? શું તેઓ સદા તમારા નામની નિંદા કરશે? શા માટે તમે તમારો હાથ પાછો રાખો છો? શા માટે તમારો જમણો ભૂજ ખોળામાં સંતાડો છો? પરંતુ હે ઈશ્વર, તમે તો પ્રાચીનકાળથી અમારા રાજા છો; તમે અમારે માટે દેશમાં ઘણા વિજયો મેળવ્યા છે. તમે જ તમારા મહાસામર્થ્યથી સમુદ્રના ભાગ પાડી દીધા અને સમુદ્રમાંના જળ-રાક્ષસોનાં માથાંના ચૂરેચૂરા કરી દીધા. તમે જ લેવિયાથાન નામના જળ-રાક્ષસના માથાં કચડી નાખ્યાં અને તેનું શરીર વનપશુઓને આહાર માટે આપી દીધું. તમે જ ખડકોને ફોડીને ઝરણાં અને વહેળા વહાવ્યા. તમે જ બારેમાસ વહેનારી નદીઓને સૂકવી નાખી. દિવસ તમારો છે અને રાત્રિ પણ તમારી છે; તમે જ સૂર્યને અને જ્યોતિઓને તેમને સ્થાને ગોઠવ્યાં છે. તમે જ પૃથ્વીની સર્વ સીમાઓ સ્થાપી છે; તમે જ ઉનાળો અને શિયાળો ઠરાવ્યા છે. હે પ્રભુ, શત્રુઓ તમારી નિંદા કરે છે, અને મૂર્ખ લોકો તમારા નામને ધૂત્કારે છે તે તમે યાદ કરો. કબૂતર જેવા તમારા ભોળા લોકને હિંસક શત્રુઓના હાથમાં સોંપશો નહિ. તમારા લાચાર લોકને સદા વીસરી જશો નહિ. અમારી સાથે કરેલા તમારા કરારને સંભારો; દેશનો દરેક અંધારિયો વિસ્તાર હિંસક લોકોથી ભરપૂર છે. જુલમપીડિતોને તમે કચડાવા દેશો નહિ; ગરીબો અને નિરાધારો તમારા નામની સ્તુતિ કરે એવું થવા દો. હે ઈશ્વર, ઊઠો, તમારા દાવાનું સમર્થન કરો; મૂર્ખ લોકો સતત તમારી નિંદા કરે છે તે યાદ કરો. તમારા વૈરીઓના શોરબકોરને તથા તમારા વિરોધીઓના સતત ચાલતા ઘોંઘાટને વીસરી જશો નહિ. (સંગીત સંચાલક માટે સૂચના: રાગ, હિબ્રૂ: અલ-તાસ્ખેથ (વિનાશ કરશો નહિ) આસાફનું ગીત) હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. હે હાજરાહજૂર ઈશ્વર, અમે તમારા નામની પ્રશંસા કરીએ છીએ; લોકો તમારાં અદ્‍ભુત કાર્યો પ્રગટ કરે છે. ઈશ્વર કહે છે, “નિર્ધારિત સમયે હું ન્યાય માટે સૌને બોલાવીશ અને નિષ્યક્ષપાતપણે ન્યાય કરીશ. પૃથ્વી કાંપે તથા તેના સર્વ નિવાસીઓ ધ્રૂજી ઊઠે, તોય હું પૃથ્વીના આધારસ્તંભોને સ્થિર કરું છું. (સેલાહ) હું ગર્વિષ્ઠોને અહંકાર ન કરવા જણાવું છું, અને દુષ્ટોને કહું છું કે તમારી સત્તા વિષે ગર્વ ન કરશો. ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારશો નહિ, અને અક્કડ ગરદનથી બોલશો નહિ.” પૂર્વથી કે પશ્ર્વિમથી, ઉત્તરના પર્વતોથી કે દક્ષિણના રણપ્રદેશમાંથી ઉન્‍નતિ આવતી નથી. કારણ, ઈશ્વર ન્યાયપૂર્વક શાસન કરે છે; એકને તે નીચો નમાવે છે અને બીજાને ઊંચો ઉઠાવે છે પ્રભુના હાથમાં એક પ્યાલો છે, તેમાં તેમનો ક્રોધરૂપી મસાલેદાર રાતો આસવ ઊભરાય છે; તેમાંથી તે દુષ્ટોને પીરસે છે; પૃથ્વીના દુષ્ટો તેમાંથી તળિયે વધેલો કૂચો ય ચૂસી જશે. પરંતુ હું સદાસર્વદા પ્રભુ સંબંધી જ વાત કરીશ અને આપણા પૂર્વજ યાકોબના ઈશ્વરનાં સ્તવન ગાઈશ. તે દુષ્ટોની સત્તા તોડી પાડશે; પરંતુ નેકજનોની સત્તા સ્થાપન કરશે. (સંગીત સંચાલક માટે સૂચના: તંતુવાદ્યોની સાથે ગાવા માટે આસાફનું ગીત) ઈશ્વર યહૂદિયાના પ્રદેશમાં વિખ્યાત છે, ઇઝરાયલમાં તેમનું નામ મહાન છે શાલેમ નગરમાં તેમનો મંડપ છે, અને સિયોન પર્વત પર તેમનું નિવાસસ્થાન છે ત્યાં પોતાની વીજળીના કડાકાથી તેમણે શત્રુનાં ધનુષ્યો, ઢાલો, તલવારો અને યુદ્ધના શસ્ત્રોને ભાંગી નાખ્યાં. (સેલાહ) હે ઈશ્વર, તમે તેજોમય છો, અને સનાતન પર્વતમાળાઓથીય અધિક ભવ્ય છો. શત્રુના શૂરવીર સૈનિકોનું સર્વસ્વ લૂંટાયું છે; તેઓ ચિરનિદ્રામાં પોઢયા છે અને પરાક્રમી યોદ્ધાઓના શસ્ત્રવિહીન હાથ હવે કશું કરી શકે તેમ નથી. હે યાકોબના ઈશ્વર, તમારી ધમકીથી અશ્વો અને અશ્વસ્વારો મૃત્યુની ચિરનિદ્રામાં સૂતા છે. હે પ્રભુ, તમે ભયાવહ છો; તમને રોષ ચઢે ત્યારે તમારી સન્મુખ કોણ ઊભું રહી શકે? તમે સ્વર્ગમાંથી તમારો ન્યાયચુકાદો સંભળાવ્યો અને તમારા ઇન્સાફનો અમલ કરવા તથા પૃથ્વીના સર્વ પીડિતોને ઉગારવા તમે ઊઠયા, ત્યારે પૃથ્વી ભયથી સ્તબ્ધ બની ગઈ. (સેલાહ) *** હે ઈશ્વર, ક્રોધી માણસોને પણ તમે તમારું સ્તવન કરતા કરી દો છો; તમારા રોષમાંથી બચેલા તમારી ચારેબાજુ એકઠા થશે. તમારા ઈશ્વર પ્રભુની આગળ લીધેલી માનતાઓ પૂર્ણ કરો; તેમની ચારેબાજુ એકઠા થયેલા લોકો ભયાવહ ઈશ્વરની પાસે ભેટો લાવો. ઈશ્વર સરદારોના ગર્વનું ખંડન કરશે; પૃથ્વીના રાજાઓ માટે તે ભયાવહ છે. (સંગીત સંચાલક માટે સૂચના: યદૂથૂન રાગ પ્રમાણે, આસાફનું ગીત) હું મદદ માટે ઈશ્વરને પોકારું છું; હું ઉદ્વેગમાં તેમને મોટેથી પોકારું છું કે તે મારું સાંભળે. સંકટને સમયે હું પ્રભુને શોધું છું; રાતભર થાકયા વગર હું પ્રાર્થનામાં મારા હાથ જોડી રાખું છું; મારા પ્રાણે પણ સાંત્વન સ્વીકારવાની ના પાડી. ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં હું ઊંડા નિસાસા નાખું છું; મનોમંથન કરતાં મારો આત્મા બેહોશ બની જાય છે. (સેલાહ) તમે મને મારી આંખો પણ મીંચવા દેતા નથી, વ્યાકુળતાને કારણે હું બોલી શક્તો નથી. હું આગલા દિવસોનો વિચાર કરું છું, અને વીતેલાં વર્ષોનું પણ સ્મરણ કરું છું. રાત્રે મને મારા ગાયેલા ગીતના શબ્દો સાંભરે છે. હું મનન કરું છું ત્યારે મારા આત્મામાં પ્રશ્ર્ન ઉદ્ભવે છે કે, શું પ્રભુ સદાને માટે આપણને તજી દેશે? શું તે ફરી કદી પ્રસન્‍ન નહિ થાય? શું તેમના પ્રેમનો અંત આવ્યો છે? શું તેમનું વચન સદાને માટે રદબાતલ થશે? શું ઈશ્વર દયા દર્શાવવાનું વીસરી ગયા છે? કે ક્રોધને લીધે તેમણે અનુકંપા અટકાવી દીધી છે? (સેલાહ) ત્યારે મેં કહ્યું, “મને એ વાતનું ભારે દુ:ખ છે કે સર્વોચ્ચ ઈશ્વરનો જમણો હાથ હવે અમને સાથ દઈ રહ્યો નથી.” હે યાહ, અમારા પ્રભુ, હું તમારાં મહાન કાર્યોનું સ્મરણ કરીશ; હું પુરાતન કાળના તમારા ચમત્કારો સંભારીશ. હું તમારાં સર્વ કામો વિષે ચિંતન કરીશ, અને તમારાં પરાક્રમી કૃત્યો પર મનન કરીશ. હે ઈશ્વર, તમારો માર્ગ પવિત્ર છે! અમારા ઈશ્વર જેવા મોટા ઈશ્વર કોણ છે? તમે તો ચમત્કારો કરનાર ઈશ્વર છો; તમે પ્રજાઓને તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે. તમારા ભુજથી તમે તમારા લોકને, એટલે, યાકોબ અને યોસેફના વંશજોને મુક્ત કર્યા છે. (સેલાહ) હે ઈશ્વર, પાણી તમને જોઈને સ્તબ્ધ થઈ ગયાં; ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાં. વાદળોએ વરસાદ વરસાવ્યો; આકાશોએ ગર્જના કરી; ચારે દિશાઓમાં વીજળી ચમકી ઊઠી. તમારી ગર્જનાનો કડાકો વાવંટોળમાં હતો; વીજળીના ઝબકારાઓએ પૃથ્વીને પ્રકાશિત કરી; પૃથ્વી કાંપી અને ડોલી ઊઠી. તમે સમુદ્રમાં થઈને માર્ગ કર્યો; તમે મહાજળ પસાર કર્યું, પરંતુ તમારાં પગલાં જોઈ શક્યાં નહિ. ઘેટાંપાલક ટોળાને દોરે તેમ મોશે તથા આરોન દ્વારા તમે તમારા લોકને દોર્યા. (આસાફનું માસ્કીલ) મારા લોકો, મારા શિક્ષણ પ્રત્યે કાન ધરો અને મારા મુખના શબ્દો પર ધ્યાન દો. હું તમારી સાથે બોધકથામાં વાત કરીશ; હું પ્રાચીન સમયના રહસ્યોનું વિવરણ કરીશ. એ વાતો આપણા પૂર્વજોએ આપણને કહી છે; એ વાતો આપણે સાંભળી છે અને જાણી છે. પ્રભુનાં સ્તુતિપાત્ર કાર્યો, તેમનું સામર્થ્ય તથા તેમનાં ચમત્કારિક કાર્યો આપણે આપણા વંશજોથી છુપાવીશું નહિ, પણ આગામી પેઢીને તે જણાવીશું. પ્રભુએ ઇઝરાયલના લોકોને આજ્ઞાઓ આપી, અને યાકોબના વંશજો માટે નિયમ ઠરાવ્યો; તેમણે આપણા પૂર્વજોને એ નિયમ તેમનાં બાળકોને શીખવવાની આજ્ઞા કરી. જેથી આગામી પેઢી, એટલે હવે પછી જન્મનાર બાળકો તે શીખી લે અને મોટા થઈને પોતાનાં બાળકોને તે શીખવે. જેથી તે નવી પેઢી ઈશ્વર પર ભરોસો રાખે, અને તેમનાં મહાન કાર્યો વીસરી ન જાય, પરંતુ સદા તેમની આજ્ઞાઓ પાળે. વળી, તેઓ પોતાના પૂર્વજો જેવા ન થાય; એ પૂર્વજો તો હઠીલા અને વિદ્રોહી હતા; તેમનાં હૃદય દઢ નહોતાં, અને તેમનો આત્મા ઈશ્વર પ્રતિ વફાદાર નહોતો. એફ્રાઈમી સૈનિકો ધનુષબાણથી સજ્જ હોવા છતાં યુદ્ધના સમયે રણમેદાનમાંથી નાસી ગયા. તેમણે ઈશ્વર સાથે કરેલ કરાર પાળ્યો નહિ અને તેમના નિયમ અનુસાર વર્તવાનો ઇન્કાર કર્યો. તેઓ ઈશ્વરનાં કાર્યો તથા તેમણે તેમને બતાવેલા અદ્‍ભુત ચમત્કારો ભૂલી ગયા. ઇજિપ્ત દેશના સોઆનનાં મેદાનોમાં, તેમના પૂર્વજોની આંખો સામે ઈશ્વરે અદ્‍ભુત ચમત્કારો કર્યા હતા. તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેમાં થઈને તેમને પાર ઉતાર્યા અને સમુદ્રમાં પાણીને ઊભી દીવાલોની જેમ સ્થિર કરી દીધાં. ઈશ્વર દિવસે તેમને મેઘ દ્વારા માર્ગદર્શન આપતા, અને રાત્રે અગ્નિપ્રકાશ દ્વારા તેમને દોરતા. તેમણે રણપ્રદેશમાં ખડકોને ફાડીને જાણે ઊંડાણોમાંથી કાઢયું હોય તેમ પોતાના લોકને અખૂટ પાણી પાયું. ઈશ્વરે ખડકમાંથી જલધારાઓ વહાવી અને જલપ્રવાહને નદીઓની જેમ વહાવ્યો. છતાં તેઓ ઈશ્વર વિરુદ્ધ સતત પાપ કરતા રહ્યા; અને રણપ્રદેશમાં સર્વોચ્ચ ઈશ્વરની સામે તેમણે વિદ્રોહ કર્યો. તેમણે તીવ્ર લાલસાથી મનપસંદ ખોરાક માંગ્યો, અને ઇરાદાપૂર્વક ઈશ્વરની ક્સોટી કરી. તેમણે ઈશ્વરનો અનાદર કરતાં કહ્યું; “શું ઈશ્વર રણપ્રદેશમાં ભોજનની વ્યવસ્થા કરી શકે? જો કે ઈશ્વરે ખડક પર પ્રહાર કર્યો ને પાણી વહી નીકળ્યું, અને વેગીલા જલપ્રવાહના રેલા ચાલ્યા; પરંતુ શું તે રોટલી પણ આપી શકે? શું તે પોતાના લોકો માટે માંસનો પ્રબંધ કરી શકે?” આ સાંભળીને પ્રભુ અતિ ક્રોધિત થયા; યાકોબના વંશજો વિરુદ્ધ અગ્નિ ભડકી ઊઠયો, એટલે, ઇઝરાયલના લોક વિરુદ્ધ તેમનો કોપ ભભૂક્યો. કારણ, તેમણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ, અને તેમની ઉદ્ધારક શક્તિ પર ભરોસો મૂક્યો નહિ. છતાં ઈશ્વરે વાદળોને હુકમ કર્યો, અને આકાશનાં દ્વાર ઉઘાડી નાખ્યાં. તેમણે તેમના ખોરાક માટે માન્‍ના વરસાવીને તેમને સ્વર્ગીય અન્‍ન પૂરું પાડયું. માણસોએ સ્વર્ગદૂતોનો ખોરાક ખાધો; તેમને તૃપ્તિ થાય તેટલો આહાર ઈશ્વરે મોકલ્યો. ઈશ્વરે આકાશમાંથી પૂર્વનો પવન ફૂંકાવ્યો અને પોતાના સામર્થ્યથી દક્ષિણનો પવન ચલાવ્યો. એ દ્વારા તેમણે પોતાના લોક માટે પક્ષીઓ મોકલ્યાં, ધૂળ તથા સમુદ્રકાંઠાની રેતીની જેમ તે વરસ્યાં. ઈશ્વરે તેમને ઇઝરાયલના પડાવો મધ્યે, લોકોના તંબૂઓની ચારેબાજુએ પાડયાં તેથી લોકો તે ખાઈને ધરાયા; ઈશ્વરે તેમની લાલસા પ્રમાણે તેમને આપ્યું; પરંતુ તેમની તીવ્ર લાલસા હજુ સંતોષાઈ નહોતી અને હજી તો તેઓ ખોરાક ખાઈ રહ્યા હતા, એવામાં જ ઈશ્વરનો કોપ તેમના પર ભભૂકી ઊઠયો, અને તેમણે સૌથી અલમસ્ત પુરુષોને મારી નાખ્યા અને ઇઝરાયલના સર્વોત્તમ યુવાનોને ઢાળી દીધા. આ બધું બનવા છતાં પણ તેઓ પાપ કરતા જ રહ્યા અને ઈશ્વરના અદ્‍ભુત ચમત્કારો પર વિશ્વાસ કર્યો નહિ. તેથી ઈશ્વરે તેમના દિવસો ફૂંકની જેમ, અને તેમનાં વર્ષો આતંકમાં સમાપ્ત કર્યાં. જ્યારે ઈશ્વરે તેમનામાંના કેટલાકને માર્યાં ત્યારે જ બાકીનાઓ ઈશ્વરને શોધવા લાગ્યા; તેઓ ઈશ્વર તરફ પાછા વળ્યા અને આતુરતાથી તેમને શરણે આવ્યા. ત્યારે જ તેમને યાદ આવ્યું કે ઈશ્વર તેમના સંરક્ષક ખડક છે, અને સર્વોચ્ચ ઈશ્વર જ તેમના મુક્તિદાતા છે. છતાં તેમણે મુખથી ઈશ્વરની ખોટી ખુશામત કરી અને પોતાની જીભે તેમની સામે જૂઠું બોલ્યા. કારણ, તેમનાં હૃદય ઈશ્વર પ્રત્યે નિષ્ઠાવાન નહોતાં અને ઈશ્વરે તેમની સાથે કરેલા કરારમાં તેઓ વફાદાર નહોતા. છતાં રહેમદિલ ઈશ્વરે તેમનાં પાપ માફ કર્યાં, અને તેમનો વિનાશ કર્યો નહિ. વારંવાર ઈશ્વરે પોતાના ક્રોધને અંકુશમાં રાખ્યો, અને પોતાના પ્રકોપને પૂરેપૂરો ભભૂકવા દીધો નહિ, કારણ, ઈશ્વરે સંભાર્યું કે તેઓ ક્ષુદ્ર મનુષ્યો છે અને તેઓ તો ગયા પછી પાછો ન આવનાર વાયુ જેવા છે. તેમણે કેટલીવાર રણપ્રદેશમાં ઈશ્વર સામે વિદ્રોહ કર્યો, અને વેરાનપ્રદેશમાં તેમણે ઈશ્વરને દુ:ખી કર્યા! પતનમાં પડીને વારંવાર તેમણે ઈશ્વરની ક્સોટી કરી અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને ચીડવ્યા. તેઓએ ઈશ્વરનું બાહુબળ ધ્યાનમાં લીધું નહિ, અને તેમણે તેમને શત્રુઓથી છોડાવ્યા હતા તે દિવસ વીસરી ગયા. ઈશ્વરે તો ઇજિપ્તના સોઆનના મેદાનમાં અજાયબ કાર્યો અને અદ્‍ભુત ચમત્કારો કર્યાં હતાં. તેમણે ઇજિપ્તનાં નદીનાળાંનાં પાણી રક્તમાં ફેરવી દીધાં હતાં, તેથી ઇજિપ્તવાસીઓ તેમનાં પાણી પી ન શક્યા. તેમણે ડાંસના ઝૂંડેઝૂંડ ત્યાં મોકલ્યાં, જેમણે તેમને કરડી ખાધા, અને ઈશ્વરે મોકલેલાં દેડકાંઓએ ઇજિપ્તની ભૂમિને ખરાબ કરી મૂકી. તેમણે તેમનો ઊભો પાક કાતરાને તથા તેમના સખત પરિશ્રમની પેદાશ તીડોને સુપરત કર્યાં. તેમણે તેમના દ્રાક્ષવેલાઓનો કરાથી તથા તેમનાં ગુલ્લરવૃક્ષોનો હિમથી નાશ કર્યો તેમણે કરાથી તેમનાં ઢોરઢાંકનો અને વીજળીથી તેમનાં ઘેટાંબકરાંનો નાશ કર્યો. વિનાશક દૂતો, એટલે રોષ, કોપ તથા આફત મોકલીને તેમણે પોતાનો કોપ પ્રગટાવ્યો. તેમણે પોતાના કોપને વાસ્તે માર્ગ તૈયાર કર્યો; તેમણે તેમના પ્રાણ મૃત્યુથી બચાવ્યા નહિ અને તેમના જીવ મરકીને સ્વાધીન કર્યા. તેમણે ઇજિપ્તના સર્વ પ્રથમજનિત પુત્રોને હણી નાખ્યા; હામના તંબૂઓમાં તેમના પૌરુષત્વનાં પ્રથમફળરૂપી પુત્રોને રહેંસી નાખ્યા. પછી પાલક ઘેટાંને દોરે તેમ તે પોતાના લોકને કાઢી લાવ્યા અને વેરાનપ્રદેશમાં તેમને ટોળાંની પેઠે દોરી ગયા. તે તેમને સુરક્ષિત રીતે દોરી લાવ્યા; જેથી તેઓ ભયભીત થયા નહિ; પરંતુ સમુદ્રે તેમના શત્રુઓને ડુબાડી દીધા. તે તેમને પોતાના પવિત્ર દેશમાં એટલે, પોતાના બાહુબળથી જીતેલા પહાડી પ્રદેશમાં લાવ્યા. પોતાના લોકે આગેકૂચ કરી તેમ ઈશ્વરે ત્યાંના વતનીઓને હાંકી કાઢયા અને તેમની ભૂમિ ઇઝરાયલનાં કુળોને વહેંચી આપી, અને તેમના તંબૂઓમાં પોતાના લોકને વસાવ્યા. છતાં ઇઝરાયલના લોકોએ સર્વોચ્ચ ઈશ્વરની ક્સોટી કરી, અને તેમની સામે વિદ્રોહ કર્યો અને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કર્યું નહિ. તેઓ પોતાના પૂર્વજો જેવા વિદ્રોહી અને બેવફા બન્યા અને વાંકા ધનુષ્યના તીરની જેમ આડે રસ્તે ચડી ગયા. વિધર્મી ઉચ્ચસ્થાનોમાં જઈને તેમણે ઈશ્વરને ઉશ્કેર્યા તથા કોરેલી મૂર્તિઓની પૂજાથી તેમનામાં રોષ ઉત્પન્‍ન કર્યો. એ વિષે સાંભળીને ઈશ્વર કોપાયમાન થયા; તેમણે ઇઝરાયલના લોકોને સદંતર ધૂર્ત્ક્યા. શિલોહમાંના પોતાના નિવાસસ્થાનને અને માણસો વચ્ચેના તેમના મંડપને તેમણે તજી દીધો. તેમના સામર્થ્ય અને ગૌરવના પ્રતીક્સમી કરારપેટી તેમણે દુશ્મનોના હાથમાં પડવા દીધી. ઈશ્વર પોતાના વારસાસમ લોક પર કોપાયમાન થયા હતા, તેથી તેમણે તેમને તરવાર દ્વારા મરણને સ્વાધીન કર્યા. તેમના શ્રેષ્ઠ યુવાનો અગ્નિથી બળી મર્યા, ત્યારે યુવાન કન્યાઓનાં લગ્નગીત ગવાયાં નહિ. તેમના યજ્ઞકારો તલવારથી માર્યા ગયા ત્યારે તેમની વિધવાઓ શોકગીત પણ ગાઈ શકી નહિ. આખરે પ્રભુ જાણે નિદ્રામાંથી જાગ્રત થયા, અને મદિરાપાન પછી ગર્જના કરતા વીરયોદ્ધાની જેમ ઊઠયા. તેમણે શત્રુઓને મારીને નસાડી દીધા; સદાને માટે તેમને પરાજયથી લજ્જિત કર્યા. ઈશ્વરે યોસેફના કુળનો પ્રદેશ અમાન્ય કર્યો અને એફ્રાઈમના કુળને નાપસંદ કર્યું. તેને બદલે તેમણે યહૂદાના કુળને અને પોતાના પ્રિય સિયોન પર્વતને પસંદ કર્યો. ત્યાં ઈશ્વરે સ્વર્ગમાંના પોતાના નિવાસસ્થાન જેવું મંદિર બનાવ્યું અને તેને સનાતન પૃથ્વી જેવું દઢ બનાવ્યું તેમણે પોતાના સેવક દાવિદને પસંદ કર્યો, અને ઘેટાંનાં વાડામાંથી તેને બહાર લાવ્યા. તે દૂઝણી ઘેટીઓની કાળજી લેતો હતો ત્યાંથી લઈને તેને પોતાના લોક યાકોબના વંશજોનો ઘેટાંપાલક, એટલે પોતાના વારસ ઇઝરાયલના રાજપાલક તરીકે નીમ્યો. દાવિદે દયની નિષ્ઠાથી લોકનું પાલન કર્યું અને કુશળ હાથોથી તેમને દોર્યા. (આસાફનું ગીત) હે ઈશ્વર, વિધર્મીઓએ તમારા વારસાસમ દેશ પર ચડાઈ કરી છે; તેમણે તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યું છે; તેમણે યરુશાલેમ નગરને ખંડેર બનાવી દીધું છે. તેમણે તમારા સેવકોનાં શબ ગીધડાંને, અને તમારા સંતોના દેહ જંગલી પશુઓને આહાર માટે સોંપ્યાં છે. યરુશાલેમમાં અને તેની ચારે તરફ શત્રુઓએ તમારા લોકના રક્તને પાણીની જેમ વહેવડાવ્યું છે, અને તેમનાં શબ દફનાવનાર પણ કોઈ નથી. અમારા પડોશી દેશો અમારી નિંદા કરે છે; અમારી આસપાસના સૌ અમારો ઉપહાસ અને તિરસ્કાર કરે છે. હે પ્રભુ, ક્યાં સુધી તમે અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો આવેશ અગ્નિની જેમ સળગ્યા જ કરશે? જે વિધર્મી રાષ્ટ્રો તમારો અનાદર કરે છે, અને જે પ્રજાઓ તમારે નામે પ્રાર્થના કરતી નથી, તેમના પર તમારો કોપ વરસાવો. તેમણે યાકોબના વંશજો, એટલે તમારા લોકનો ભક્ષ કર્યો છે; શત્રુઓએ તેમના વસવાટને ઉજ્જડ કર્યો છે. હે ઈશ્વર, અમારા પૂર્વજોના પાપોને લીધે એમને સજા ન કરો. તમારી અનુકંપા અમને જલદી આવી મળો; કારણ, અમે ખૂબ નાસીપાસ થઈ ગયા છીએ. હે અમારા ઉદ્ધારર્ક્તા ઈશ્વર! તમારા નામના ગૌરવને ખાતર અમને સહાય કરો; તમારા નામની ખાતર અમને ઉગારો ને અમારાં પાપોની ક્ષમા કરો. વિધર્મીઓ શા માટે અમને પૂછે કે, “તમારો ઈશ્વર કયાં છે?” તમારા સેવકોનું રક્ત વહેવડાવનાર પ્રજાઓનું અમારી નજર સામે જ વેર વાળો. તમારા લોકમાંથી બંદીવાન બનેલાઓના નિ:સાસા તમને પહોંચો, અને જેમને હણી નાખવા શત્રુઓએ નક્કી કર્યું છે, તેમને તમારા ભુજના સામર્થ્યથી ઉગારો. lહે પ્રભુ, અમારી પડોશી પ્રજાઓએ તમારી કરેલી નિંદાનો સાત ગણો બદલો તેમને શિરે વાળો. પછી અમે, તમારા લોક તથા તમારા વાડામાંનાં ઘેટાં, સદાસર્વદા તમારી આભારસ્તુતિ કરીશું, અને પેઢી દર પેઢી તમારું સ્તવન કરીશું. (સંગીત સંચાલક માટે સૂચના. રાગ: કમલફૂલનું વચન હિબ્રૂ: શોશાન્‍નીમ - એડ્થ; આસાફનું ગીત) હે ઇઝરાયલના પાલક, અમારું સાંભળો; યોસેફના કુળને ઘેટાંના ટોળાની પેઠે દોરનાર, કાન ધરો. હે પાંખાવાળાં પ્રાણી કરૂબ પર બિરાજનાર, તમારો પ્રકાશ પાડો. એફ્રાઈમ, બિન્યામીન તથા મનાશ્શાનાં કુળો સમક્ષ તમારું સામર્થ્ય પ્રગટ કરો; આવીને અમારો ઉદ્ધાર કરો. હે ઈશ્વર, અમને તમારી તરફ પાછા ફેરવો, અને અમારા પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું. હે સેનાધિપતિ પ્રભુ, ક્યાં સુધી તમારો કોપ સળગતો રહેશે, અને તમે તમારી પ્રજાની પ્રાર્થનાની ઉપેક્ષા કરશો? તમે અમને દુ:ખનો ખોરાક ખવડાવ્યો છે, પીવા માટે પણ અમારાં આંસુઓનો મોટો પ્યાલો ભરી આપ્યો છે. તમે અમને પડોશી દેશો માટે કજિયાનું કારણ બનાવ્યા છે અને અમારા શત્રુઓ અમારી ઠેકડી ઉડાડે છે. હે સેનાધિપતિ ઈશ્વર, અમને તમારી તરફ પાછા ફેરવો, અને અમારા પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું. તમે ઇજિપ્તમાંથી એક દ્રાક્ષવેલો કાઢી લાવ્યા, અને તમે બીજી પ્રજાઓને હાંકી કાઢીને તેમની ભૂમિમાં તેને રોપ્યો. તમે તેને વિક્સવા માટે ભૂમિ તૈયાર કરી, તેનાં મૂળ ઊંડાં ઊતર્યાં અને તે સમગ્ર દેશ પર પથરાઈ ગયો. તેની છાયાથી પર્વતો ઢંક્યા, અને વિશાળ ગંધતરુઓ તેની ડાળીઓથી આચ્છાદિત થયા. તેણે પોતાની ડાળીઓ ભૂમધ્ય સમુદ્ર સુધી, અને તેની કૂંપળો યુફ્રેટિસ નદી સુધી પ્રસારી. તો પછી તમે તેની આસપાસની વાડ કેમ તોડી નાખી છે કે, જેથી કોઈ પણ રાહદારી તેની દ્રાક્ષ ચૂંટી લે? જંગલી ડુક્કર તેને ભેલાડે છે, અને વનપશુઓ તેને ચરી ખાય છે. હે સેનાધિપતિ ઈશ્વર, કૃપા કરી પાછા આવો, આકાશમાંથી દષ્ટિ કરો, અને એ દ્રાક્ષવેલાની સંભાળ લો. આવો, અને જે દ્રાક્ષાવેલાને તમારા જમણા હાથે રોપ્યો હતો અને જે નાના રોપને તમે મજબૂત બનાવ્યો હતો તેનું રક્ષણ કરો. શત્રુઓએ તેને કાપી નાખીને કચરાની જેમ બાળ્યો છે. તેઓ તમારા મુખની ધમકીથી નષ્ટ થાઓ. જેને તમે સત્તા અને સન્માન બક્ષ્યાં છે, તે રાજાનું રક્ષણ કરો; જેને તમે પસંદ કર્યો છે, તે માનવપુત્રને સંભાળો. અમે ફરી કદી તમારાથી વિમુખ થઈશું નહિ, અમને નવજીવન આપો, એટલે અમે તમારે નામે પ્રાર્થના કરીશું. હે સેનાધિપતિ ઈશ્વર પ્રભુ, અમને તમારી તરફ પાછા ફેરવો, અને અમારા પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું. (સંગીત સંચાલક માટે સૂચના: રાગ: ગિત્તિથ; આસાફનું ગીત) આપણા સંરક્ષક ઈશ્વરનો જય જયકાર ગાઓ; યાકોબના ઈશ્વર આગળ હર્ષનાદ કરો. ગીત ગાઓ, ઢોલક બજાવો; મધુર તાનપૂરા સાથે વીણા વગાડો. ચાંદ્રમાસના પ્રથમદિને અને પૂર્ણિમાના દિવસે એટલે, સાતમા માસના પવિત્ર પર્વના દિવસોએ ઉજવણીરૂપે રણશિગડું વગાડો. કારણ, એ તો ઇઝરાયલ માટે ઠરાવેલો વિધિ છે, અને આપણા પૂર્વજ યાકોબના ઈશ્વરનો આદેશ છે. જ્યારે ઈશ્વર ઇજિપ્તની સામે પડયા ત્યારે તેમણે યોસેફના કુળને એ આજ્ઞા આપી. મેં એક વાણી સાંભળી જે હું સમજી શક્યો નહિ. “મેં તમારા ખભા પરથી બોજ ઉતાર્યો અને તમારા હાથ ટોપલા ઊંચકવાથી છૂટા કર્યા.” સંકટમાં તમે મને પોકાર કર્યો એટલે મેં તમને ઉગાર્યા. મેઘગર્જનાના ગુપ્તસ્થાનમાંથી મેં તમને ઉત્તર આપ્યો. મરીબાનાં ઝરણાં આગળ મેં તમારી પારખ કરી. (સેલાહ) હે મારી પ્રજા, હું તને ચેતવું ત્યારે સાંભળ; હે ઇઝરાયલ, તું મારી વાત પર ધ્યાન દે તો કેવું સારું! તમારામાં કોઈ અન્ય દેવ ન હોય; વળી, તમે કોઈ પારકા દેવની પૂજા ન કરો. હું એકમાત્ર પ્રભુ જ તમારો ઈશ્વર છું. મેં જ તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા હતા; તમારાં મુખ ઉઘાડો, એટલે હું તમને ખવડાવીશ. પરંતુ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મારી વાત સ્વીકારી નહિ. તેથી મેં તેમને તેમના દયની હઠ પ્રમાણે જવા દીધા કે તેઓ પોતાની ઇચ્છા અનુસાર વર્તે. જો મારી પ્રજાએ મારી વાત સાંભળી હોત અને ઇઝરાયલ મારા માર્ગોમાં ચાલ્યા હોત તો કેવું સારું! તો મેં સત્વરે તેમના શત્રુઓનો પરાજય કર્યો હોત, અને તેમના વૈરીઓ વિરુદ્ધ હાથ ઉગામ્યો હોત. પ્રભુના દ્વેષકો તેમની આગળ દયથી નમી પડશે, અને તેમને કાયમની સજા થશે. પરંતુ પ્રભુ તો ઇઝરાયલને સર્વોત્તમ ઘઉં ખવડાવશે, અને ખડકના ઉત્તમ મધથી તેમને તૃપ્ત કરશે. (આસાફનું ગીત) ઈશ્વર દૈવી સભામાં અયક્ષનું સ્થાન લે છે, તે દેવોની ઉપસ્થિતિમાં ન્યાયચુકાદા આપે છે “તમે બધા કયાં સુધી ગેરઇન્સાફ કરશો? ક્યાં સુધી તમે દુષ્ટોની તરફેણ કરશો? (સેલાહ) એને બદલે, નિર્બળોને તથા અનાથોને ન્યાય અપાવો; પીડિતો તથા કંગાલજનોના હક્કાનું સમર્થન કરો. ગરીબ અને નિરાધાર જનોને ઉગારો, અને દુષ્ટોના હાથમાંથી તેમને છોડાવો.” તેઓ જાણતા નથી, અને સમજતા પણ નથી. તેઓ અંધકારમાં ભટકે છે; તેથી પૃથ્વી પર ઇન્સાફ દેખાતો નથી. મેં કહ્યું, “તમે તો દેવો છો, અને તમે સર્વ સર્વોચ્ચ ઈશ્વરના પુત્રો છે! પરંતુ તમે માનવજાતની જેમ મરશો, અને રાજવીઓની જેમ તમારું પણ પતન થશે.” હે ઈશ્વર, ઊઠો, અને પૃથ્વીનો ન્યાય કરો; કારણ, સર્વ દેશો પર તમારો જ અધિકાર છે. (આસાફનું ગીત) હે ઈશ્વર, તમે મૌન ન રહો. હે ઈશ્વર, તમે શાંત ન રહો; તમે ચૂપ ન રહો. જુઓ, તમારા શત્રુઓએ બંડ મચાવ્યું છે, અને તમારા દ્વેષીઓએ વિદ્રોહમાં માથાં ઉઠાવ્યાં છે. તેઓ તમારા લોક વિરુદ્ધ ષડયંત્રો રચે છે, અને તમારા સંરક્ષિત લોક વિરુદ્ધ કાવતરાં કરે છે. તેઓ કહે છે, “ચાલો, આપણે તેમને એક પ્રજા તરીકે મિટાવી દઈએ જેથી ઇઝરાયલ પ્રજાના નામનું સ્મરણ સુદ્ધાં ન રહે.” શત્રુઓ એકમનના થઈ મસલત કરે છે; તેઓ તમારી વિરુદ્ધ એક થવા સંધિ-કરાર કરે છે. તંબૂવાસી અદોમીઓ અને ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ, ગબાલ નગરના લોકો, આમ્મોનીઓ અને અમાલેકીઓ, પલિસ્તીઓ અને તૂર નગરના નિવાસીઓ સાથે છે. આશ્શૂર દેશ પણ તેમની સાથે જોડાયો છે. તેઓ લોતના વંશજો આમ્મોનીઓ અને મોઆબીઓના સમર્થ મળતિયા બન્યા છે. (સેલાહ) મિદ્યાનીઓના તથા કિશોન નદી પર સીસરા અને યાબીનના તમે જે ભૂંડા હાલ કર્યા હતા તેવા હાલ તેમના પણ કરો. તમે તેમને એન-દોર પાસે હરાવીને માર્યા હતા, અને તેમનાં શબ ભૂમિ પર ખાતરની જેમ પથરાયાં હતાં. તમે તેમના આગેવાનોના હાલ ઓરેબ અને ઝએબ જેવા, અને તેમના શાસકોના હાલ ઝેબાહ તથા સાલમુન્‍ના જેવા કરો. તેમણે કહ્યું હતું. “ચાલો, આપણે ઈશ્વરના ગૌચરપ્રદેશ ઇઝરાયલને કબજે કરી લઈએ. હે મારા ઈશ્વર, તેમને વંટોળની ધૂળની જેમ વેરવિખેર કરી નાખો, તેમને પવનથી ઊડતા તણખલા જેવા કરો. જેમ દાવાનળ વનને ભસ્મ કરે છે તેમ, અને જેમ આગ પર્વતોને સળગાવે છે તેમ, તમારી આંધીથી તેમનો પીછો કરો, અને તમારા ભયાનક વાવાઝોડાથી તેમને ભયભીત કરો; હે પ્રભુ, તેઓ શરમથી પોતાનાં મુખ સંતાડે તેવું કરો. જેથી તેઓ તમારા નામની મહત્તા સ્વીકારે. તેઓ સદાને માટે પરાજયથી લજ્જિત થઈ આતંક્તિ બનો, તેઓ ખૂબ અપમાનિત થઈ નાશ પામો; જેથી તેઓ જાણે કે તમારું નામ યાહવે છે, અને એક માત્ર તમે જ સમસ્ત પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો. (સંગીત સંચાલક માટે સૂચના: રાગ: ગિત્તિથ, કોરાના પુત્રોનું ગીત) હે સેનાધિપતિ પ્રભુ, તમારું નિવાસસ્થાન કેવું રમણીય છે. મારો પ્રાણ પ્રભુમંદિરના પ્રાંગણ માટે ઝંખે છે અને ઝૂરે છે. જીવંત ઈશ્વરની આગળ મારું હૃદય અને દેહ હર્ષનાદ કરે છે. હે સેનાધિપતિ પ્રભુ, મારા રાજા અને મારા ઈશ્વર, ચકલીને પોતાનું ઘર મળ્યું છે, અરે, અબાબીલને પોતાનાં બચ્ચાં મૂકવાનો માળો મળ્યો છે; એટલે, અમારાં જેવાને તમારી વેદીઓનો આશ્રય મળ્યો છે. તમારા મંદિરમાં વસનારાંને ધન્ય છે. તેઓ નિરંતર તમારી સ્તુતિ કરે છે. (સેલાહ) જેઓ તમારી પાસેથી સામર્થ્ય પ્રાપ્ત કરે છે, અને જેમનાં હૃદય સિયોનના યાત્રામાર્ગો પર મંડાયેલાં છે તેમને ધન્ય છે! બાકાની નિર્જળ ખીણમાંથી તેઓ જ્યારે પસાર થાય છે. ત્યારે તે ઝરણાંની જગામાં ફેરવાઈ જાય છે. પ્રથમ વરસાદ પણ તેને પાણીથી તરબોળ કરી દે છે. તેઓ વધુ ને વધુ સામર્થ્ય પામતાં આગળ વધે છે; તેઓ દેવાધિદેવ ઈશ્વરની સંમુખ હાજર થશે. હે સેનાધિપતિ પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર, કાન ધરો. (સેલાહ) હે ઈશ્વર, અમારી સંરક્ષક ઢાલને જુઓ; તમારા અભિષિક્ત રાજાના મુખને નિહાળો. તમારા આંગણામાં એક દિવસ રહેવું તે મારી પસંદગીના કોઈપણ સ્થળે હજાર દિવસ રહેવા કરતાં શ્રેષ્ઠ છે. ધનિક દુષ્ટોના નિવાસોમાં વસવા કરતાં મારા ઈશ્વરના મંદિરને ઉંબરે ઊભા રહેવું મને વધુ પસંદ છે. સાચે જ પ્રભુ આપણા સંરક્ષક દૂર્ગ તથા ઢાલ છે; તે કૃપા અને સન્માન બક્ષે છે. નેકીથી વર્તનારને માટે તે કોઈપણ સારી વસ્તુ અટકાવી રાખતા નથી. હે સેનાધિપતિ પ્રભુ, તમારા પર ભરોસો રાખનારને ધન્ય છે! (સંગીત સંચાલક માટે સૂચના: કોરાના પુત્રોનું ગીત) હે પ્રભુ, તમે તમારા દેશ પર પ્રસન્‍ન થયા હતા; તમે યાકોબના વંશજોને પુન: આબાદ બનાવ્યા હતા. તમે તમારા લોકોના અન્યાય માફ કર્યા હતા, તેમનાં પાપ તમે ક્ષમા કર્યાં હતાં. (સેલાહ) તમે તમારો રોષ સમાવ્યો હતો, અને તમારા ક્રોધાગ્નિને શાંત પાડયો હતો. હવે, હે અમારા ઉદ્ધારક ઈશ્વર, અમારી તરફ પાછા ફરો; અમારા પ્રત્યેનો તમારો રોષ નાબૂદ કરો. શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમે પેઢી દર પેઢી તમારો ક્રોધ લંબાવશો? હે ઈશ્વર, તમે અમને નવજીવન આપો કે જેથી તમારા લોક તમારામાં આનંદ કરે. હે પ્રભુ, અમને તમારા પ્રેમનું દર્શન કરાવો, અને તમારી ઉદ્ધારક સહાય બક્ષો. હું ઈશ્વરનો સંદેશ સાંભળી રહ્યો છું; પ્રભુનો સંદેશ તેમના લોક અને તેમના વફાદાર સંતોનું કલ્યાણ કરવા અંગેનો છે; એટલું જ કે તેના લોક પુન: મૂર્ખાઈ તરફ ફરી ન જાય. આપણા દેશમાં ઈશ્વરનું ગૌરવ વાસ કરે તે માટે તે તેમના સંતોનો ઉદ્ધાર કરવા તેમની નિકટ છે. ઈશ્વરનો પ્રેમ અને તેમના લોકની નિષ્ઠાનું મિલન થશે. લોકનો સદાચાર અને ઈશ્વરનું કલ્યાણ એકબીજાને ચુંબન કરશે. લોકની નિષ્ઠા ધરતી પરથી ઊગી નીકળશે, અને ઈશ્વરની ઉદ્ધારક શક્તિ સ્વર્ગમાંથી નીચે દષ્ટિ કરશે. સાચે જ પ્રભુ સમૃદ્ધિ બક્ષશે; તેથી આપણી ભૂમિ મબલક પાક ઉગાડશે. ઈશ્વરની ઉદ્ધારક શક્તિ તેમની આગળ ચાલશે અને સુંદરતા તેમનાં પગલામાં અનુસરશે. (દાવિદની પ્રાર્થના) હે પ્રભુ, તમારા કાન ધરો અને મને ઉત્તર આપો. કારણ, હું પીડિત અને કંગાળ છું. મારા પ્રાણની રક્ષા કરો; કારણ, હું તમારો ભક્ત છું, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો; તમે મારા ઈશ્વર છો. હે પ્રભુ, મારા પર દયા કરો; કારણ, હું તમને નિરંતર પોકારું છું. હે પ્રભુ, તમારા સેવકને આનંદિત કરો; કારણ, હું મારું અંત:કરણ તમારા પર લગાડું છું. હે પ્રભુ, તમે ભલા અને ક્ષમાશીલ છો; તમને અરજ કરનાર સર્વ પ્રત્યે તમે અસીમ પ્રેમ દર્શાવો છો. હે પ્રભુ, મારી પ્રાર્થના પર કાન ધરો; સહાય માટેની મારી આજીજી પર લક્ષ દો. મારા સંકટને સમયે હું તમને પોકારું છું; કારણ, તમે મને ઉત્તર આપો છો. હે પ્રભુ, અન્ય દેવોમાં તમારા સરખા ઈશ્વર કોઈ નથી. તમારાં કાર્યો જેવાં કાર્યો પણ કોઈનાં નથી. હે પ્રભુ, તમે સર્વ પ્રજાઓ સર્જી છે; તેઓ તમારી સમક્ષ આવીને પ્રણામ કરશે, અને તમારા નામનો મહિમા ગાશે. તમે સાચે જ મહાન છો અને અજાયબ કાર્યો કરો છો; એકમાત્ર તમે જ ઈશ્વર છો. હે પ્રભુ, તમે મને તમારા માર્ગ વિષે શીખવો; જેથી હું સાચે માર્ગે ચાલું. તમારા નામની ભક્તિ કરવા મારા દયને એકાગ્ર કરો. હે પ્રભુ, હું મારા પૂરા દિલથી તમારી આભારસ્તુતિ કરીશ. મારા ઈશ્વર, હું સદાસર્વદા તમારા નામનો મહિમા ગાઈશ. તમે મારા પર અપાર પ્રેમ રાખો છો; તેથી મારા પ્રાણને તમે મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી ઉગારશો. હે ઈશ્વર, અહંકારી લોકો મારા પર હુમલો કરે છે; ક્રૂર માણસોની ટોળી મારો જીવ લેવા મથે છે; તેઓ તમારી ઉપેક્ષા કરે છે. પરંતુ હે પ્રભુ, તમે રહેમી અને દયાળુ છો; કોપ કરવામાં ધીમા તેમજ પ્રેમ અને વિશ્વાસુપણાથી ભરપૂર છો. મારી તરફ ફરો અને મારા પર દયા કરો. તમારા સેવકને તમારું બળ આપો, અને તમારી સેવિકાના પુત્રને બચાવો. હે પ્રભુ, મને તમારી ભલાઈનું ચિહ્ન દર્શાવો કે તમે મને સહાય કરી છે તથા સાંત્વન આપ્યું છે; એ જોઈને મારા દ્વેષીઓ લજ્જિત થાય છે. (કોરાના પુત્રોનું ગીત) પ્રભુએ બાંધેલ નગરનો પાયો તેમનો પવિત્ર સિયોન પર્વત છે. યાકોબના વંશજોનાં સર્વ નિવાસસ્થાનો કરતાં પ્રભુને સિયોન નગરના દરવાજાઓ વિશેષ પ્રિય છે. હે ઈશ્વરના નગર, સાંભળ; તારે વિષે ગૌરવયુક્ત વાતો કહેવાય છે. (સેલાહ) “મને જાણનારાઓમાં હું ઇજિપ્ત અને બેબિલોનની નોંધ લઈશ; પલિસ્તી દેશ, તૂર અને કૂશનો પણ તેમાં સમાવેશ કરીશ; તેઓ કહેશે, ‘આનો જન્મ ત્યાં થયો હતો.” સિયોન વિષે એમ કહેવાશે કે, “આ માણસનો અને પેલા માણસનો જન્મ તેમાં થયો.” કારણ, સર્વોચ્ચ ઈશ્વર પોતે તેને પ્રસ્થાપિત કરશે. પ્રભુ પ્રજાઓની સૂચિ લખશે ત્યારે તે નોંધશે કે, “આનો જન્મ ત્યાં થયો હતો.” (સેલાહ) ગાયકો અને નૃત્યકારો કહેશે: “અમારી સર્વ આશિષોનો સ્રોત સિયોનમાં છે.” (કોરાના પુત્રોનું ગીત: સંગીત સંચાલક માટે સૂચના: રાગ: માહલાથ - લઆનોથ (અર્થાત્ વાંસળીઓ માટે) હે પ્રભુ, મારા ઈશ્વર, મારા ઉદ્ધારર્ક્તા, રાતદિન હું તમને સહાય માટે પોકારું છું. મારી પ્રાર્થના તમારી હજૂરમાં પહોંચો; મારા વિલાપ પ્રત્યે તમે કાન ધરો. મારો જીવ અતિ સંકટમાં આવી પડયો છે, અને મારો પ્રાણ મૃત્યુલોક શેઓલ તરફ ખેંચાય છે. કબરમાં જનારાઓમાં મારી ગણતરી થાય છે; હું લાચાર માણસના જેવો બન્યો છું. હું તો મૃતદેહો વચ્ચે તજી દેવાયેલા જેવો છું; અને જેમનું તમે ફરી સ્મરણ કરવાના નથી અને જેઓ તમારા સંરક્ષક હાથથી વંચિત થયા છે, તેવા કપાઈને કબરમાં નંખાયેલા લોકો જેવો હું બન્યો છું. તમે મને અતિ ઊંડા ગર્તમાં ધકેલી દીધો છે, અને ઘોર અંધારિયા અને ઊંડા ખાડામાં હડસેલી દીધો છે. મારા પર તમારો કોપ બહુ ભારે છે; અને તેનાં ઊછળતાં મોજાં મને કચડી નાખે છે. (સેલાહ) તમે મને એવો રોગિષ્ટ બનાવ્યો છે કે મારા મિત્રો પણ મારાથી દૂર રહે છે; તમે મને તેઓ માટે ખૂબ ઘૃણાપાત્ર બનાવ્યો છે. હું અલાયદો રખાયો છું અને અહીંથી બહાર નીકળી શક્તો નથી. મારી આંખો વેદનાને લીધે નિસ્તેજ થતી જાય છે; હે પ્રભુ, હું તમને દરરોજ પોકારું છું, અને તમારી આગળ હાથ જોડીને પ્રાર્થના કરું છું. શું તમે મૃતકો માટે ચમત્કારો કરશો? શું મરેલાં ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે? (સેલાહ) શું કબરમાં તમારા પ્રેમનું અને વિનાશલોક અબાદ્દોનમાં તમારા વિશ્વાસુપણાનું વર્ણન કરાશે? શું તમારાં અજાયબ કાર્યો અંધકારના પ્રદેશમાં અને તમારી ઉદ્ધારકશક્તિ વિસ્મૃતિના પ્રદેશમાં પ્રગટ કરાશે? હે પ્રભુ, હું તમને અરજ કરું છું; રોજ સવારે મારી પ્રાર્થના તમારી હજૂરમાં પહોંચો. હે પ્રભુ તમે મને કેમ તજી દો છો? તમે તમારું મુખ મારાથી કેમ ફેરવી લો છો? હું મારી જુવાનીના સમયથી પીડિત અને મરણતોલ છું. તમારો ત્રાસ વેઠીને હું નિર્ગત થઈ ગયો છું. તમારો ઉગ્ર ક્રોધ મારા ઉપર ફરી વળ્યો છે અને તમારા ભયાનક હુમલાઓ મારો સદંતર નાશ કરે છે. તેઓ પૂરની જેમ આખો વખત મને ઘેરી વળે છે. તેઓ એકત્ર થઈને મને આંતરે છે. મારા પ્રિયજનો અને મિત્રોને તમે મારાથી દૂર કર્યા છે અને હવે મારો એકમાત્ર સાથી છે - અંધકાર! (એથાન એઝાહીનું માસ્કીલ) હે પ્રભુ, હું સદા તમારા પ્રેમ વિશે ગાઈશ; મારે મુખે પેઢી દર પેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ. હું કબૂલ કરું છું કે તમારો પ્રેમ સદાસર્વદા ટકે છે, અને તમારું વિશ્વાસુપણું આકાશોની જેમ સનાતન છે. તમે કહ્યું, “મેં મારા પસંદ કરેલા સેવક દાવિદ સાથે કરાર કર્યો છે, અને મેં તેની સાથે શપથ લીધા છે; ‘હું તારો વંશવેલો કાયમ જાળવી રાખીશ અને તારું રાજ્યાસન પણ પેઢી દર પેઢી ટકાવી રાખીશ.” (સેલાહ) હે પ્રભુ, આકાશો તમારાં અજાયબ કાર્યોની પ્રશંસા કરે છે, અને સંતોની સભા તમારા વિશ્વાસુપણા વિષે ગાય છે. આકાશમંડળમાં પ્રભુ સમાન કોણ છે? અને દેવપુત્રોમાં પ્રભુ જેવો કોણ છે? સંતોની સભામાં તે આરાધ્ય ઈશ્વર છે અને તેમની આસપાસના સૌના કરતાં તે જ મહાન અને આરાધ્ય છે. હે સેનાધિપતિ પ્રભુ ઈશ્વર, હે યાહ, તમારા સમાન પરાક્રમી કોણ છે? તમારું વિશ્વાસુપણું તમારી આસપાસ છે. તોફાની સમુદ્ર પર તમે નિયંત્રણ રાખો છો; તેનાં મોજાં ઊછળે ત્યારે તમે તેનો ઉત્પાત શાંત પાડો છો. તમે જ જલરાક્ષસ રાહાબને છૂંદીને મારી નાખ્યો, અને તમારા બાહુબળથી તમારા શત્રુઓને પરાજિત કર્યા. આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે; સૃષ્ટિ અને તેમાંનાં સર્વસ્વને તમે સ્થાપન કર્યાં છે. તમે જ ઉત્તર અને દક્ષિણને ઉત્પન્‍ન કર્યાં છે; તાબોર તથા હેર્મોન પર્વત તમારા નામનો જયજયકાર કરે છે. તમારો ભુજ બળવાન છે, તમારો ડાબો હાથ વિજયી અને જમણો હાથ ઉગામેલો છે. નેકી અને ઇન્સાફ તમારા રાજ્યાસનના પાયા છે; પ્રેમ અને વિશ્વાસુપણું તમારી આગળ આગળ ચાલે છે. પર્વના હર્ષનાદોનો અનુભવ કરનાર લોકને ધન્ય છે; હે પ્રભુ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે. તેઓ દિનપ્રતિદિન તમારા નામમાં આનંદ કરે છે, તમારી ભલાઈ તેમને ઉન્‍નત બનાવે છે. તમે જ તેમનું ગૌરવ અને સામર્થ્ય છો. તમારી કૃપાથી તમે અમને વિજયી બનાવો છો. પ્રભુ તો અમારે માટે સંરક્ષક ઢાલ સમાન છે. ઇઝરાયલના પવિત્ર ઈશ્વર અમારા રાજા છે. એક વેળાએ તમે સંદર્શનમાં તમારા ભક્તને કહ્યું; “મેં એક યોદ્ધાને શક્તિ પ્રદાન કરી છે. મારી પ્રજામાંથી પસંદ કરેલા એક યુવાનને મેં ઉન્‍નત કર્યો છે. મેં મારા સેવક દાવિદને શોધી કાઢયો છે અને મારા પવિત્ર તેલથી તેનો અભિષેક કર્યો છે. મારો હાથ તેના પર સદા રહેશે અને મારો ભુજ તેને સામર્થ્ય આપશે. શત્રુઓ તેને હેરાન કરી શકશે નહિ; દુષ્ટો તેને નમાવી શકશે નહિ. તેની નજર સામે હું તેના વૈરીઓને કચડી નાખીશ, અને તેના દ્વેષીઓનો સંહાર કરીશ. મારું વિશ્વાસુપણું અને મારો પ્રેમ સતત તેની સાથે રહેશે અને મારે નામે તે સદા વિજયી બનશે. હું સમુદ્ર પર તેના ડાબા હાથનું અને નદીઓ પર તેના જમણા હાથનું શાસન સ્થાપન કરીશ. તે મને કહેશે, ‘તમે મારા પિતા છો; તમે મારા ઈશ્વર મારા સંરક્ષક ખડક અને ઉદ્ધારક છો.’ હું તેને મારો જયેષ્ઠ પુત્ર અને પૃથ્વીના રાજાઓમાં સર્વોચ્ચ બનાવીશ. હું સદાસર્વદા તેના પર મારો પ્રેમ રાખીશ, અને તેની સાથેનો મારો કરાર અચલ રહેશે. હું તેનો રાજવંશ કાયમ માટે સ્થાપીશ, આકાશો ટકે ત્યાં સુધી તેનું રાજ્યાસન ટકશે. જો તેના વંશજો મારા નિયમનો અનાદર કરે, અને મારા આદેશો પ્રમાણે ન ચાલે; જો તેઓ મારા ફરમાનોનો ભંગ કરે, અને મારી આજ્ઞાઓ ન પાળે; તો હું તેમને તેમના અપરાધો માટે સોટીથી અને તેમના અન્યાય માટે ચાબુકથી સજા કરીશ. છતાં હું દાવિદ પરથી પ્રેમ દૂર કરીશ નહિ. અથવા મારા વિશ્વાસુપણાને ખૂટવા દઈશ નહિ. તેની સાથેનો મારો કરાર હું તોડીશ નહિ, કે મારા મુખેથી નીકળેલા એકપણ શબ્દને બદલીશ નહિ. મેં કાયમને માટે મારી પવિત્રતાના શપથ લીધા છે; હું દાવિદ સાથે કદી જૂઠું બોલીશ નહિ. તેનો વંશવેલો સદા ટકશે; મારી સમક્ષ સૂર્યની જેમ તેનું રાજ્યાસન ટકશે. આકાશમાંના પેલા વિશ્વાસુ સાક્ષી ચંદ્ર જેવું તે સદા અવિચળ રહેશે. (સેલાહ) પરંતુ હવે તમારા અભિષિક્ત રાજા પર કોપાયમાન થઈને તમે તેનો ત્યાગ કર્યો છે અને તેનો નકાર કર્યો છે. તમારા સેવક સાથેના કરાર પ્રતિ તમને ઘૃણા ઊપજી છે. તેના મુગટને ધૂળમાં નાખીને ભ્રષ્ટ કર્યો છે. તમે તેના નગરની દીવાલો છેદી નાખી છે, અને તમે તેના દૂર્ગને ખંડેર બનાવી દીધો છે. ત્યાંથી પસાર થનારા તેને લૂંટે છે; તેના પડોશી દેશના લોકો તેની નિંદા કરે છે. તમે તેના વૈરીઓનું બાહુબળ વધાર્યું છે. તમે તેના સર્વ દુશ્મનોને વિજયથી આનંદિત કર્યા છે. તમે તેની તલવારને બુઠ્ઠી બનાવી દીધી છે. તમે તેને યુદ્ધમાં નિરાધાર છોડી દીધો છે. તમે તેનો રાજવૈભવ છીનવી લીધો છે, અને તેના રાજ્યાસનને જમીનદોસ્ત કર્યું છે. તમે તેની યુવાનીના દિવસો ટુંકાવ્યા છે, અને તેને શરમથી ઢાંકી દીધો છે. (સેલાહ) હે પ્રભુ, ક્યાં સુધી? શું તમે સદાકાળ સંતાઈ રહેશો? ક્યાં સુધી તમારો ક્રોધ આગની જેમ સળગ્યા કરશે? મારું આયુષ્ય કેટલું અલ્પ છે તે સંભારો; તમે માનવજાતને મર્ત્ય સર્જી છે તે યાદ કરો. એવો કયો મનુષ્ય છે જે અમર રહે અને મૃત્યુને ન જુએ? પોતાના પ્રાણને મૃત્યુલોક શેઓલના પંજામાંથી કોણ છોડાવી શકે? (સેલાહ) હે પ્રભુ, તમારા વિશ્વાસુપણાને લીધે જે પ્રેમ દાવિદ પ્રતિ દર્શાવવાના શપથ તમે લીધા તે પ્રેમ ક્યાં છે? હે પ્રભુ, તમારા આ સેવકનાં અપમાનો યાદ કરો; મેં કેવી રીતે મારા હૃદયમાં લોકોનાં વાકાબાણ સહ્યાં છે તે સંભારો. પ્રભુ, તમારા શત્રુઓ તમારા અભિષિક્ત રાજાનું અપમાન કરે છે, જ્યાં તે પગલાં માંડે છે ત્યાં તેઓ તેને અપમાનિત કરે છે. પ્રભુ સર્વકાળ ધન્ય હો! આમીન તથા આમીન! (ઈશ્વરભક્ત મોશેની પ્રાર્થના) હે પ્રભુ, તમે વંશાનુવંશ અમારું આશ્રયસ્થાન બન્યા છો. પર્વતો ઉત્પન્‍ન થયા તે પહેલાં અરે, તમે વિશ્વ તથા પૃથ્વી રચ્યાં તે પહેલાં; એટલે અનાદિકાળથી અનંતકાળ સુધી, તમે સાર્વકાલિક ઈશ્વર છો. તમે આજ્ઞા કરો છો: “હે માનવપુત્રો, જ્યાં હતા ત્યાં પાછા ફરો,” અને પછી માનવીને પાછો ધૂળમાં મેળવી દો છો. તમારી દષ્ટિમાં અમારા હજાર વર્ષ, વીતી ગયેલ ગઈકાલના જેવાં ટૂંકાં છે; અરે, તમારે મન તે રાત્રિના એક પ્રહર સમાન છે. તમે તેમને પાણીના પૂરની જેમ તાણી જાઓ છો. તેઓ તો નિદ્રા સમાન છે. તેઓ સવારમાં ઊગતા ઘાસ જેવા છે. ઘાસ સવારે ઊગે છે અને વૃદ્ધિ પામે છે; સાંજે તે સુકાઈને ચીમળાઈ જાય છે. તમારા ક્રોધથી અમે ભસ્મીભૂત બની જઈએ છીએ અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે. કારણ, તમે અમારા અન્યાય જોઈ શકો છો. બલ્કે, અમારાં ગુપ્ત પાપો પણ તમારી વેધક દષ્ટિથી છુપાં નથી. અમારા સર્વ દિવસો તમારા રોષમાં વીતી જાય છે. નિસાસાની જેમ અમારાં આયુષ્યનો અંત આવે છે. અમારાં આયુષ્યનાં વર્ષો કદાચ સિત્તેર જેટલાં હોય, અથવા શક્તિને લીધે કદાપિ એંસી વર્ષ જેટલાં પણ થાય; તો પણ તે અમારે માટે મુશ્કેલી અને દુ:ખથી ભરેલાં છે; જિંદગી ઝડપથી પૂરી થાય છે અને અમે ઊડી જઈએ છીએ. તમારા ક્રોધની ઉગ્રતા કોણ જાણે છે? એવા રોષ માટે કેટલો ભય રાખવો ઘટે! હે પ્રભુ, અમને અમારા આયુષ્યના અલ્પ દિવસો ગણતાં શીખવો; જેથી અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. હે પ્રભુ, પાછા આવો; ક્યાં સુધી તમારો રોષ રહેશે? તમારા આ ભક્તો પર અનુકંપા દર્શાવો. દર સવારે તમારા પ્રેમથી અમને તૃપ્ત કરો, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષાનંદમાં ગુજારીએ. જેટલા દિવસો તમે અમને પીડા આપી અને જેટલાં વર્ષો અમે દુ:ખી થયા, એટલો સમય અમને આનંદ પમાડો. અમને, તમારા આ ભક્તોને તમારા ઉદ્ધારનાં અદ્‍ભુત કાર્યો દેખાડો, અને અમારાં સંતાનોને તમારો પ્રતાપ બતાવો. હે પ્રભુ, તમારી ભલાઈ અમારા પર ઊતરો! અમારા હાથનાં કાર્યો અમારે માટે સ્થાપન કરો; હા, અમારે માટે અમારા હાથનાં કાર્યો સ્થાપન કરો. સર્વોચ્ચ ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે અને સર્વસમર્થની છાયામાં જે નિવાસ કરે છે; તે કહે છે, “પ્રભુ મારા શરણસ્થાન અને દૂર્ગ છે, મારા ઈશ્વર પર હું ભરોસો રાખું છું.” એકલા તે જ તને શિકારીના ફાંદાથી અને જીવલેણ મરકીથી બચાવશે. પક્ષી પોતાનાં બચ્ચાંને પીંછાથી ઢાંકે તેમ તે તેને ઢાંકશે અને તેમની પાંખો નીચે તને આશ્રય મળશે. તેમનું વિશ્વાસુપણું ઢાલ અને બખ્તર સમાન રક્ષણ આપશે. રાત્રિનાં જોખમો અને દિવસે ફેંકાનાર તીરથી, અંધકારમાં ફેલાતી મરકીથી, અને ભર બપોરે પ્રસરતી મહામારીથી તું ડરીશ નહિ. તારી ડાબી બાજુએ હજાર માણસો અને તારી જમણી બાજુએ દશ હજાર પડશે; છતાં તે મહામારી તને સ્પર્શશે નહિ. તું તારી આંખોથી માત્ર તે વિનાશ જોશે, અને દુષ્ટોને મળતી સજા નિહાળશે. તેં માત્ર પ્રભુનું જ શરણ સ્વીકાર્યું છે, અને સર્વોચ્ચ ઈશ્વરનો આશ્રય લીધો છે; તેથી તારા પર કશી આપત્તિ આવી પડશે નહિ, અને મરકી તારા નિવાસ નિકટ આવી શકશે નહિ. કારણ, તારા સર્વ માર્ગોમાં તારી રક્ષા કરવા, ઈશ્વર પોતાના દૂતોને આજ્ઞા આપશે. તેઓ પોતાના હાથમાં તને ઉઠાવી લેશે; જેથી તારા પગ પથ્થરો સાથે અફળાય નહિ. તું સિંહો અને સર્પોને છૂંદશે; યુવાન સિંહોને અને અજગરોને તું કચડી નાખશે. ઈશ્વર કહે છે, “તે મને પ્રેમથી વળગી રહે છે માટે હું તેને બચાવીશ, તે મારું નામ કબૂલ કરે છે તેથી હું તેની રક્ષા કરીશ. તે મને પોકારશે ત્યારે હું તેને ઉત્તર આપીશ, સંકટમાં હું તેની સાથે રહીશ; હું તેને મુક્ત કરીને સફળતાથી સન્માનિત કરીશ. હું તેને દીર્ઘાયુષ્યથી તૃપ્ત કરીશ, અને હું તેને મારા ઉદ્ધાર દેખાડીશ.” (ગીત, સાબ્બાથ દિન માટે ગાયન) હે પ્રભુ, તમારી આભારસ્તુતિ કરવી, અને હે સર્વોચ્ચ ઈશ્વર, તમારા નામનાં ગુણગાન ગાવાં તે ઉત્તમ છે. દસ તારના તંતુવાદ્ય પર, વીણા સાથે અને તાનપુરાના મધુર સ્વર સાથે પ્રત્યેક પ્રભાતે તમારા પ્રેમ, અને પ્રત્યેક રાત્રે તમારા વિશ્વાસુપણા વિષે ગાવું તે કેવું આનંદદાયક છે! *** હે પ્રભુ, તમે તમારાં અજાયબ કાર્યોથી મને આનંદ પમાડયો છે; તમારી સિદ્ધિઓને હું આનંદથી બિરદાવું છું. હે પ્રભુ, તમારાં કાર્યો કેટલાં મહાન છે! અને તમારા વિચારો કેટલા ગહન છે! જડ માણસ તે જાણી શક્તો નથી, અને નાદાન તે સમજી શક્તો નથી. દુષ્ટ માણસો ભલે ઘાસની જેમ વધે, અને સર્વ ભ્રષ્ટાચારીઓ ભલે આબાદ બને; છતાં તેઓ સદાને માટે નાશ પામશે. કારણ, હે પ્રભુ, તમે સદાસર્વદા સર્વોચ્ચ સત્તાધીશ છો. હે પ્રભુ, તમારા શત્રુઓ અચૂક નાશ પામશે; સર્વ ભ્રષ્ટાચારીઓ પરાજયથી વેરવિખેર થઈ જશે. તમે મને જંગલી સાંઢ જેવો બળવાન બનાવ્યો છે; આનંદ દર્શાવવા મને તાજું તેલ ચોળવામાં આવ્યું છે. મેં મારી આંખે મારા શત્રુઓનો પરાજય જોયો છે; મેં મારા કાને મારા વિરોધી દુષ્ટોની ચીસો સાંભળી છે. નેકજનો તાડની જેમ ખીલશે; તેઓ લબાનોનના ગંધતરુની જેમ ઊંચા વધશે. જેઓ પ્રભુના ઘરમાં રોપાયેલા છે તેઓ આપણા ઈશ્વરનાં પ્રાંગણમાં ખીલશે. તેઓ વૃદ્ધાવસ્થામાં પણ ફળવંત રહેશે; તેઓ સદા રસસભર અને તાજા રહેશે. એ પરથી પ્રભુ ન્યાયી છે એની પ્રતીતિ થાય છે; તે મારા સંરક્ષક ખડક છે અને તેમનામાં કશો અન્યાય નથી. પ્રભુ રાજ કરે છે, તેમણે ભવ્યતા પરિધાન કરી છે; પ્રભુ વિભૂષિત છે, તેમણે પરાક્રમે કમર ક્સી છે. સાચે જ તેમણે પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે; તે વિચલિત થશે નહિ. હે પ્રભુ, તમારું રાજ્યાસન આરંભથી અચલ છે. અનાદિકાળથી તમે હયાત છો! હે પ્રભુ, સમુદ્રના પ્રવાહો મોટે અવાજે ગર્જે છે. સમુદ્રના પ્રવાહો ભયાનક મોજાં ઉછાળે છે. મહાસાગરની પ્રચંડ ગર્જના કરતાં અધિક પ્રચંડ અને સાગરનાં મોજાં કરતાં વધુ શક્તિશાળી તેવા પ્રભુ આકાશોમાં સર્વોપરી છે. તમારી આજ્ઞાઓ અફર છે; હે પ્રભુ, પવિત્રતા તમારા મંદિરને સદા સર્વકાળ શોભાવે છે. હે પ્રભુ, તમે બદલો વાળનાર ઈશ્વર છો; હે બદલો વાળનાર ઈશ્વર, પોતાને પ્રગટ કરો. હે વિશ્વના ન્યાયાધીશ ઊઠો, અને અહંકારીઓને યોગ્ય સજા કરો. હે પ્રભુ, દુષ્ટો ક્યાં સુધી ગર્વ કરશે? ક્યાં સુધી તેઓ વિજયમાં જયજયકાર કરશે? ગુનેગારો ઘમંડી બકવાટ કરે છે, અને ભ્રષ્ટાચારીઓ ગુનેગારી વિષે શેખી મારે છે. હે પ્રભુ, તેઓ તમારા લોકને કચડે છે. તેઓ તમારા વારસાસમ પ્રજા પર જુલમ ગુજારે છે. તેઓ વિધવાઓ અને દેશમાં વસતા પરદેશીઓને હણી નાખે છે; તેઓ અનાથોની હત્યા કરે છે. તેઓ વિચારે છે, “યાહ આપણને જોતા નથી; યાકોબના ઈશ્વર ધ્યાન પણ દેતા નથી.” અરે, જડ લોકો, જરા તો સમજો; હે અબુધો, તમારામાં ક્યારે ડહાપણ આવશે? કાનને ઘડનાર ઈશ્વર, શું નહિ સાંભળે? આંખને રચનાર ઈશ્વર, શું નહિ જુએ? રાષ્ટ્રોને શિક્ષા કરનાર ઈશ્વર, તથા માનવજાતને જ્ઞાન શીખવનાર પ્રભુ, શું દુષ્ટોને સજા નહિ કરે? પ્રભુ મનુષ્યોના વિચારો જાણે છે; તેમના વિચારો તો હવાની ફૂંક જેવા વ્યર્થ છે. હે યાહ, જેને તમે શિસ્તમાં રાખો છો, અને જેને તમારું નિયમશાસ્ત્ર શીખવો છો, તેને ધન્ય છે. દુષ્ટોને સપડાવવા ખાડો ન ખોદાય ત્યાં સુધી તમે તેને સંકટના દિવસોમાંથી રાહત પમાડો છો. પ્રભુ પોતાના લોકને તરછોડશે નહિ; તે પોતાની સંપત્તિ સમ પ્રજાનો ત્યાગ કરશે નહિ. ન્યાયાલયોમાં ફરીથી ઇન્સાફ સાંપડશે, અને સર્વ સરળ જનો તેને અનુસરશે. આ દુષ્ટોની સામે કોણે મારો પક્ષ લીધો? મારે માટે આ ભ્રષ્ટાચારીઓનો કોણે વિરોધ કર્યો? જો પ્રભુએ મારી સહાય ન કરી હોત, તો હું તત્કાળ મૃત્યુના નીરવ પ્રદેશમાં વાસ કરતો હોત. જ્યારે મેં કહ્યું, “મારો પગ લપસે છે,” ત્યારે હે પ્રભુ, તમારા પ્રેમે મને ગ્રહી લીધો. જ્યારે મારું અંતર ચિંતાગ્રસ્ત થઈ જાય છે, ત્યારે તમારું સાંત્વન મારા ચિત્તને પ્રસન્‍ન કરે છે. કાયદાની આડમાં ભ્રષ્ટાચાર આચરનારા દુષ્ટ શાસકો સાથે તમારે કોઈ સબંધ નથી. તેઓ તો નેકજનો વિરુદ્ધ સંપ કરે છે, અને નિરપરાધીઓને મૃત્યુદંડ અપાવે છે. પરંતુ પ્રભુ મારા સંરક્ષક ગઢ છે, અને મારા ઈશ્વર મારા શરણરૂપી ખડક છે. દુષ્ટોના અન્યાય માટે ઈશ્વર તેમને સજા કરશે અને તેમની દુષ્ટતા માટે તેમનો સંહાર કરશે; પ્રભુ, આપણા ઈશ્વર તેમનો વિનાશ કરશે. આવો, આપણે પ્રભુનાં ગુણગાન ગાઈએ; આપણા ઉદ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ. આભારસ્તુતિ સહિત તેમની સન્મુખ જઈએ, અને ગીતોથી તેમનો જયઘોષ કરીએ. કારણ, પ્રભુ તો સર્વોચ્ચ ઈશ્વર છે. તે સર્વ દેવો પર મહાન રાજા છે. તે સમસ્ત પૃથ્વી પર, તેની ગહન ખીણો અને તેનાં ઉન્‍નત શિખરો સહિત સર્વત્ર નિયંત્રણ ધરાવે છે. સમુદ્ર પર તેમનો અધિકાર છે, કારણ, તેમણે તેને સર્જ્યો છે. ભૂમિ પણ તેમને હાથે જ રચાયેલ છે. આવો, આપણે ભૂમિ પર શિર ટેકવી તેમને નમન કરીએ. આપણા ઉત્પન્‍નર્ક્તા પ્રભુની આગળ ધૂંટણો ટેકવીએ. એકમાત્ર તે જ આપણા ઈશ્વર છે; આપણે તેમના લોક, તેમની ચરાણનાં ઘેટાં છીએ. “જો આજે તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું! “તમારા પૂર્વજોએ, રણપ્રદેશમાં મરીબા અને માસ્સામાં હઠીલા દયના બનીને મારી ક્સોટી કરી તેવા તમે ન બનો; મારા અજાયબ કાર્યો નિહાળ્યાં હોવાં છતાં ત્યાં તેમણે મારી પારખ કરી. ચાળીસ વર્ષ સુધી તે પેઢી પ્રત્યે મને ઘૃણા રહી. ત્યારે મેં કહ્યું, ‘આ લોકોનાં હૃદયો ભટકી ગયેલાં છે; તેઓ મારા માર્ગોમાં ચાલવાનો ઇનકાર કરે છે.’ તેથી મેં મારા ક્રોધમાં શપથ લીધા કે તેઓ મારા વિશ્રામના દેશમાં પ્રવેશશે નહિ.” પ્રભુની સંમુખ નવું ગીત ગાઓ; આખી પૃથ્વીના લોકો પ્રભુની સમક્ષ ગાઓ. પ્રભુના માનમાં ગાઓ. તેમના નામને ધન્ય કહો; દિનપ્રતિદિન તેમનો ઉદ્ધાર પ્રગટ કરો. સર્વ દેશોમાં તેમનું ગૌરવ અને સર્વ પ્રજાઓમાં તેમનાં અજાયબ કાર્યો પ્રસિદ્ધ કરો. કારણ, પ્રભુ મહાન અને અત્યંત સ્તુતિપાત્ર છે; સર્વ દેવોમાં માત્ર તે જ આરાધ્ય છે. અન્ય લોકોના સર્વ દેવો વ્યર્થ મૂર્તિઓ જ છે, પરંતુ પ્રભુ તો આકાશોના સર્જનહાર છે. સન્માન અને મહિમા તેમની સંમુખ છે; સામર્થ્ય અને ગૌરવ તેમના પવિત્રસ્થાનમાં છે. હે સર્વ પ્રજાઓનાં કુળો, પ્રભુને મહાન માનો; તેમનાં ગૌરવ અને સામર્થ્યનો સ્વીકાર કરો! પ્રભુના મહાન નામને છાજે એવી એમની સ્તુતિ કરો; અર્પણો લઈને તેમના મંદિરના આંગણામાં આવો! ગૌરવ અને શોભાનાં પવિત્ર વસ્ત્ર પહેરીને પ્રભુને ભજો; આખી પૃથ્વીના લોકો તેમની આગળ ધ્રૂજી ઊઠો. સર્વ દેશોને કહો કે, પ્રભુ રાજ કરે છે, તેમણે પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે, અને તે વિચલિત થશે નહિ; તે નિષ્પક્ષપાતપણે લોકોનો ન્યાય કરશે. પ્રભુ આવે ત્યારે તેમની સમક્ષ આકાશો આનંદ કરો, અને પૃથ્વી હરખાઓ; સમુદ્ર અને તેમાંનાં સર્વ જીવો ગર્જના કરો; ખેતરો અને તેમાં જે કંઈ છે તે ઉલ્લાસિત બનો, વનનાં સર્વ વૃક્ષો પણ જયજયકાર કરો. કારણ, પ્રભુ જગતનો ન્યાય કરવા આવે છે. તે નેકીથી જગતનો અને સત્યતાથી સર્વ પ્રજાઓનો ન્યાય કરશે. પ્રભુ રાજ કરે છે; પૃથ્વીના લોકો હરખાઓ! દૂર દૂરના ટાપુઓના લોકો પણ આનંદ કરો. ઘનઘોર વાદળો અને ગાઢ અંધકાર પ્રભુની આસપાસ છે; નેકી તથા ઇન્સાફ તેમના રાજ્યાસનનો પાયો છે. અગ્નિ તેમની આગળ આગળ ચાલે છે, અને ઈશ્વરની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરી નાખે છે, તેમની વીજળીઓના ઝબકારાથી સૃષ્ટિ પ્રકાશિત બને છે, અને તે જોઈને પૃથ્વી કાંપે છે. સમસ્ત પૃથ્વીના સ્વામી પ્રભુની સંમુખ પર્વતો ય મીણની જેમ પીગળી જાય છે. આકાશો ઈશ્વરની નેકી પ્રગટ કરે છે અને સર્વ પ્રજાઓ તેમના મહિમાનું દર્શન કરે છે. પ્રતિમાઓની પૂજા કરનારા સર્વ લોકો અને વ્યર્થ મૂર્તિઓમાં ગૌરવ લેનારા લોકો લજ્જિત થાઓ. હે સર્વ દેવો, તમે પ્રભુને પ્રણામ કરો. હે પ્રભુ, તમારા ન્યાયચુકાદાઓ સાંભળીને સિયોન નગરના લોકો આનંદ કરે છે, અને યહૂદિયાના લોકો હર્ષ પામે છે. હે પ્રભુ, એકમાત્ર તમે જ પૃથ્વી પર સર્વોચ્ચ છો, સર્વ દેવો કરતાં તમે શ્રેષ્ઠ છો. દુષ્ટતાને ધિક્કારનારાઓને પ્રભુ ચાહે છે, તે પોતાના સંતોનું રક્ષણ કરે છે; અને દુષ્ટોના હાથમાંથી તેમને છોડાવે છે. ઈશ્વરની ભલાઈ નેકજનો પર પ્રકાશની જેમ ચમકે છે અને સરળ દયના લોકો આનંદ કરે છે. હે નેક જનો, યાહવેમાં આનંદ કરો. તેમના પવિત્ર નામને ધન્યવાદ દો. પ્રભુની સંમુખ કોઈ નવું ગીત ગાઓ. કારણ, પ્રભુએ અજાયબ કાર્યો કર્યાં છે. તેમના જમણા હાથે અને તેમના પવિત્ર ભુજે વિજય મેળવ્યો છે. પ્રભુએ પોતાના આ વિજયની ઘોષણા કરી છે. તેમણે પ્રજાઓ સમક્ષ પોતાની ઉદ્ધારક શક્તિ પ્રગટ કરી છે. તેમણે પોતાના ઇઝરાયલ લોક પ્રત્યે, પોતાનો પ્રેમ અને વિશ્વાસુપણું દર્શાવવાનું યાદ રાખ્યું છે; પૃથ્વીની સીમા સુધીના સર્વ લોકોએ આપણા ઈશ્વરનો ઉદ્ધાર જોયો છે. હે પૃથ્વીના સર્વ લોકો, પ્રભુની સમક્ષ હર્ષનાદ કરો; જોશપૂર્વક જયજયકાર કરો અને ગીતો ગાઓ. વીણા સાથે પ્રભુની સ્તુતિ ગાઓ, વીણા અને મધુર સંગીત સાથે ગીતો ગાઓ. તૂરી અને રણશિંગડાના નાદ સાથે, આપણા રાજા પ્રભુની હજુરમાં હર્ષનાદ કરો. પ્રભુની સમક્ષ સમુદ્ર અને તેનાં મોજાં ગર્જના કરો; પૃથ્વી અને તેના સર્વ નિવાસીઓ ગાજી ઊઠો; પ્રવાહો તાળી પાડો, પર્વતો એક સાથે જયજયકાર કરો; કારણ, પ્રભુ પૃથ્વીનો ન્યાય કરવા આવે છે; તે નેકીથી જગતનો અને નિષ્પક્ષપાતપણે સર્વ પ્રજાઓનો ન્યાય કરશે. પ્રભુ રાજ કરે છે; સર્વ પ્રજાઓ કાંપો; તે કરુબો પરના રાજ્યાસન પર બિરાજમાન છે; ધરણી ધ્રૂજી ઊઠો. પ્રભુ સિયોનનગરમાં મહાન છે; તે બધી પ્રજાઓ પર સર્વોપરી છે. તેથી તેઓ સૌ તમારા મહાન અને આરાધ્ય નામની સ્તુતિ કરો; તે પવિત્ર ઈશ્વર છે. હે ઈશ્વર, શક્તિશાળી અને ન્યાયપ્રિય રાજા, તમે ઇઝરાયલમાં નિષ્પક્ષતાની સ્થાપના કરી છે; અને યાકોબના દેશમાં ઇન્સાફ અને નેકીના ધોરણ ઠરાવ્યાં છે. તમે આપણા ઈશ્વર પ્રભુને ઉન્‍નત માનો. તેમના પાયાસન પાસે ઈશ્વરને નમન કરો; તે પવિત્ર છે. ઈશ્વરના યજ્ઞકારોમાં મોશે અને આરોન હતા, અને ઈશ્વરને નામે પ્રાર્થના કરનારાઓમાં શમુએલ પણ હતો; તેમણે પ્રભુને અરજ કરી અને તેમણે તેમને ઉત્તર આપ્યો. મેઘસ્તંભમાંથી ઈશ્વર તેમની સાથે બોલ્યા; ઈશ્વરે આપેલા આદેશો અને ફરમાનોનું તેમણે પાલન કર્યું. હે અમારા ઈશ્વર પ્રભુ, તમે તમારા લોકને ઉત્તર આપ્યો; જો કે તમે તેમનાં ભૂંડાં કામોની શિક્ષા કરી; છતાં તમે તેમને દર્શાવ્યું કે તમે ક્ષમા આપનાર ઈશ્વર છો! આપણા ઈશ્વર પ્રભુને ઉન્‍નત માનો, તેમના પવિત્ર પર્વત પર તેમની આરાધના કરો; કારણ, આપણા ઈશ્વર પ્રભુ પવિત્ર છે. (આભારસ્તુતિનું ગીત) હે પૃથ્વીના સર્વ લોકો, પ્રભુની સંમુખ જયજયકાર કરો. આનંદથી પ્રભુની ભક્તિ કરો; ઉત્સાહથી ગાતાં ગાતાં તેમની હજૂરમાં આવો. એકમાત્ર પ્રભુ જ ઈશ્વર છે એવું કબૂલ કરો; તેમણે જ આપણને સર્જ્યાં અને આપણે તેમનાં જ છીએ. આપણે તેમના લોક અને તેમની ચરાણનાં ઘેટાં છીએ. આભાર માનતાં માનતાં તેમના મંદિરનાં દ્વારોમાં પ્રવેશો અને સ્તવન કરતાં કરતાં તેમનાં આંગણામાં આવો. તેમની આભારસ્તુતિ કરો અને તેમના નામને ધન્ય કહો. સાચે જ પ્રભુ ભલા છે; તેમનો પ્રેમ સદાસર્વકાળ, અને તેમનું વિશ્વાસુપણું પેઢી દર પેઢી ટકી રહે છે. (દાવિદનું ગીત) તમારી વફાદારી અને તમારા પ્રેમ અને ઇન્સાફ વિષે હું ગીત ગાઈશ; હે પ્રભુ, હું તમારાં ગુણગાનનું રટણ કરીશ. હું સીધે માર્ગે ચાલવા પર ધ્યાન દઈશ. હે પ્રભુ, તમે મારી પાસે ક્યારે આવશો? હું મારા રાજકારભારમાં શુદ્ધ દયથી વર્તીશ. હું કશી અધમ બાબતોને મારી દષ્ટિ સમક્ષ રાખીશ નહિ. ઈશ્વરનિષ્ઠાથી વિમુખ થનારનાં કાર્યો હું ધિક્કારું છું; તેમની સાથે મારે કોઈ સબંધ નથી. વિકૃત મન હું મારાથી દૂર રાખીશ; હું દુષ્ટો સાથે સંબંધ રાખીશ નહિ. બીજાઓની ગુપ્ત રીતે નિંદા કરનારને હું ચૂપ કરી દઈશ. ઘમંડી નજર અને અહંકારી દયવાળા જનોને હું સાંખી લઈશ નહિ. ઈશ્વર પ્રત્યે નિષ્ઠાવાન રહેનાર પર હું મારી કૃપાદષ્ટિ રાખીશ અને તેમને મારા મહેલમાં વસવા દઈશ. સીધે માર્ગે ચાલનાર માણસો જ મારા રાજકારભારમાં ભાગ લઈ શકશે. કપટ આચરનાર કોઈપણ માણસ મારા મહેલમાં રહી શકશે નહિ; જૂઠું બોલનાર કોઈપણ માણસ મારી નજર આગળ ટકી શકશે નહિ. આપણા દેશમાંથી હું દુષ્ટોનો પશુઓની જેમ નાશ કરીશ; હું સર્વ દુરાચારીઓનો પ્રભુના નગરમાંથી નાશ કરીશ. (પીડિતજનની પ્રાર્થના: જ્યારે તે નિર્ગત થાય છે ત્યારે પ્રભુ સમક્ષ પોતાની ફરિયાદ ઠાલવે છે.) હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો, મારો પોકાર તમારી હજૂરમાં પહોંચવા દો. મારી આપત્તિના દિવસોમાં મારાથી તમારું મુખ સંતાડશો નહિ. મારા પ્રતિ તમારા કાન ધરો, હું પોકારું ત્યારે મને ત્વરિત ઉત્તર આપો. મારા દિવસો ધૂમાડાની જેમ ઊડી જાય છે; મારાં અસ્થિ ભઠ્ઠીની જેમ સળગે છે. કપાયેલા ઘાસની જેમ મારું હૃદય સુકાઈ ગયું છે; મને તો ભોજન કરવાનીય રુચિ રહી નથી. હું મોટેથી નિસાસા નાખું છું; મારાં હાડકાં ચામડીને વળગી રહ્યાં છે! હું વેરાનપ્રદેશનાં ગીધડાં જેવો થયો છું; અને ખંડેરો વચ્ચે વસતા ધુવડ જેવો છું. હું જાગ્યા જ કરું છું; અને છત પરની એક્કી ચકલી જેવો બની ગયો છું. મારા શત્રુઓ આખો વખત મારો દોષ કાઢે છે. મારી ઠેકડી કરનારા મારું નામ દઈને બીજાને શાપ આપે છે. તમારા રોષ અને ક્રોધને લીધે તમે મને ઊંચકીને ફગાવી દીધો છે; તેથી હું રોટલીની જેમ રાખ ખાઉં છું, અને મારાં આંસુ પીવાના પ્યાલામાં પડે છે. *** ઢળતી સાંજના પડછાયાની જેમ મારી જિંદગીનો અંત પાસે છે; હું ઘાસની જેમ ચીમળાઈ ગયો છું. હે પ્રભુ, તમે સર્વદા રાજ્યાસન પર બિરાજમાન છો, તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે. તમે સિયોન પર દયા દાખવવા ઊભા થશો; તેના પર કરુણા કરવાનો સમય, એટલે નિર્ધારિત સમય આવી પહોંચ્યો છે. તમારા સેવકોને તો તેના ખંડેરના પથ્થરો ય વહાલા છે અને તેની ધૂળ પર તેમને દયા આવે છે. જ્યારે પ્રભુ સિયોનનગરને ફરીથી બાંધશે ત્યારે તેમનું ગૌરવ પ્રગટ થશે; ત્યારે દેશો યાહવેના નામથી અને પૃથ્વીના સર્વ રાજાઓ તેમના ગૌરવથી ભયભીત થશે. *** ત્યારે તે લાચારની પ્રાર્થના પ્રત્યે લક્ષ આપશે, અને તેમની અરજોની અવગણના કરશે નહિ. આગામી પેઢી માટે આ વાત લખી રાખો; જેથી હવે પછી પેદા થનારા પણ યાહની સ્તુતિ કરે. પ્રભુએ પોતાના ઊંચા પવિત્રસ્થાનમાંથી નીચે જોયું છે, એટલે તે આકાશમાંથી પૃથ્વી પર દષ્ટિપાત કરે છે; જેથી તે બંદીવાનોના નિ:સાસા સાંભળે અને મૃત્યુદંડ પામેલાને મુક્ત કરે. સિયોનમાં યાહવેના નામની ઘોષણા થશે અને યરુશાલેમમાં તેમની સ્તુતિ થશે. તે સમયે સર્વ પ્રજાઓ અને રાજ્યોના લોકો એક સાથે પ્રભુની ભક્તિ કરવા એકત્ર થશે. પ્રભુએ આવરદાની અધવચ્ચે મારી શક્તિ ઘટાડી દીધી, તેમણે મારું આયુષ્ય ટૂંકાવ્યું. મેં કહ્યું: “હે ઈશ્વર, મને મારા આયુષ્યની અધવચમાં ઉઠાવી લેશો નહિ; તમારાં વર્ષો તો પેઢી દરપેઢી ટકે એટલાં છે!” પ્રાચીન કાળમાં તમે પૃથ્વીની સ્થાપના કરી, અને તમારા પોતાને હાથે આકાશોને રચ્યાં. તેઓ નાશ પામશે, પરંતુ તમે ટકશો. વસ્ત્રોની પેઠે તેઓ સર્વ ર્જીણ થઈ જશે, જૂનાં વસ્ત્રોની જેમ તમે તેમને ઉતારી દેશો, અને તેઓ ઊતરી જશે. પરંતુ તમે તો નિત્ય એવા ને એવા જ રહો છો; તમારાં વર્ષોનો કોઈ અંત નથી. તમારા સેવકોના પરિવારો ટકી રહેશે, અને તેમના વારસો તમારી સંમુખ સુરક્ષિત રહેશે. (દાવિદનું ગીત) હે મારા જીવ, યાહવેનું સ્તવન કર, મારા અખિલ અંતર, તેમના પવિત્ર નામને ધન્ય કહે. હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર અને તેમનાં સર્વ ઉપકારક કાર્યો તું ભૂલી ન જા. તે તારાં બધાં પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારા જીવનને મૃત્યુના ગર્તમાંથી ઉગારે છે, અને તને પ્રેમ અને રહેમનો મુગટ પહેરાવે છે. તે તને જીવનભર ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે; જેથી ગરુડની જેમ તારું યૌવન તાજું થાય છે. જુલમનો ભોગ બનેલા સૌનું સમર્થન કરી પ્રભુ તેમને ન્યાય અપાવે છે. તેમણે પોતાના માર્ગો મોશેને પ્રગટ કર્યા અને ઇઝરાયલના લોકોને પોતાનાં પરાક્રમી કાર્યો દેખાડયાં. પ્રભુ દયાળુ અને કૃપાળુ છે, તે કોપ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે. તે સદા ઠપકો આપ્યા કરતા નથી; તે સદા ક્રોધ કર્યા કરતા નથી. તે આપણાં પાપો અનુસાર આપણી સાથે વર્તતા નથી; આપણા ગુના પ્રમાણે આપણને સજા કરતા નથી. કારણ, જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમના ભક્તો પર તેમનો પ્રેમ અગાધ છે. ઉદયાચલથી અસ્તાચલ જેટલું દૂર છે, તેટલા તે આપણા અપરાધ આપણાથી દૂર કરે છે. જેમ પિતા પોતાનાં સંતાનો પ્રત્યે દયાળુ હોય છે, તેમ પ્રભુ પોતાના ભક્તો પર દયાળુ છે. તે આપણું બંધારણ જાણે છે; આપણે માટીમાંથી બનેલાં છીએ તેનું તેમને સ્મરણ છે. મનુષ્યનું આયુષ્ય ઘાસ જેવું છે, ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે; પવન તેના પરથી વાય છે અને તેના અસ્તિત્વનો અંત આવે છે, તેનું સ્થાન કયાં હતું તેની પણ કોઈને ખબર પડતી નથી. પરંતુ પ્રભુનો પ્રેમ તેમના ભક્તો પર, એટલે તેમનો કરાર પાળનારા અને તેમના વિધિઓનું કાળજીપૂર્વક પાલન કરનારાઓ પર, અનાદિકાળથી અનંતકાળ સુધી રહે છે અને તે તેમનાં સંતાનોનાં સંતાન સાથે ઈશ્વરનું વિશ્વાસુપણું જારી રહે છે. *** પ્રભુએ આકાશમાં પોતાનું રાજ્યાસન સ્થાપ્યું છે; તેમનો રાજ્યાધિકાર સમગ્ર વિશ્વ પર છે. પ્રભુની આજ્ઞાનો અમલ કરનારા અને તેમની વાણી પ્રત્યે લક્ષ દેનારા શક્તિશાળી અને પરાક્રમી દૂતો, પ્રભુનું સ્તવન કરો. હે પ્રભુનાં સર્વ સૈન્યો, અને તેમની ઇચ્છાને અનુસરનાર તેમના સેવકો, પ્રભુનું સ્તવન કરો. પ્રભુના સમસ્ત રાજ્યમાંનું સમગ્ર સર્જન, પ્રભુનું સ્તવન કરો. હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર. હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર. હે પ્રભુ, મારા ઈશ્વર, તમે કેટલા મહાન છો! તમે વૈભવ અને પ્રતાપથી વિભૂષિત છો. તમે વસ્ત્રની જેમ પ્રકાશ પરિધાન કર્યો છે; તમે તંબૂની જેમ આકાશને વિસ્તાર્યું છે. તમે ઉપરનાં પાણી પર તમારો મહેલ બાંધ્યો છે, તમે મેઘોને તમારા રથ તરીકે વાપરો છો; તમે પવનની પાંખો પર વારી કરો છો. તમે પવનોને તમારા સંદેશકો બનાવો છો, અને અગ્નિજ્વાળાઓને તમારા સેવકો તરીકે ઉપયોગ કરો છો. તમે પૃથ્વીને તેના પાયાઓ પર સ્થાપી છે; જેથી તે કદીયે વિચલિત થાય નહિ. મહાસાગર પૃથ્વી પર જામાની જેમ પથરાયેલો હતો, અને પાણીથી પર્વતનાં શિખરો પણ ઢંક્યેલાં હતાં. પણ તમે પાણીને ધમકાવ્યાં, એટલે તે નાસી ગયાં; તમારી ગર્જનાથી તે પલાયન થઈ ગયાં. ઊપસી આવેલા પર્વતો પરથી પાણી વહ્યાં અને ખીણોમાં થઈને તમારા નિર્ધારિત કરેલ સ્થળે ગયાં. તમે પાણી માટે તે ઓળંગી ન શકે એવી હદ ઠરાવી છે; જેથી પૃથ્વીને ફરીથી ડૂબાડવા તે પાછાં આવે નહિ. તમે ખીણોમાં ઝરણાં વહાવો છો,અને તેઓ પર્વતો વચ્ચે થઈને વહે છે. તેઓ જંગલી પશુઓને પાણી પૂરું પાડે છે અને તેમાં જંગલી ગધેડાં પણ પોતાની તરસ છિપાવે છે. કિનારાનાં વૃક્ષો પર પક્ષીઓ માળા બાંધે છે, અને તેઓ ડાળીઓમાં કલરવ કરે છે. તમે તમારા આકાશમાંના ઓરડાઓમાંથી પહાડો પર પાણી વરસાવો છો અને તમારી વર્ષાથી ધરતી સમૃદ્ધિ પામે છે. તમે પશુઓને માટે ઘાસ, અને મનુષ્યો માટે તેમણે રોપેલા છોડ ઉગાડો છો; જેથી તેઓ ધરતીમાંથી આહાર મેળવી શકે. વળી, તમે માણસોના દયને આનંદિત કરનાર દ્રાક્ષાસવ, તેમના મુખને તેજસ્વી કરનાર ઓલિવ તેલ, અને તેમને શક્તિ આપનાર ખોરાક ઉપજાવો છો. લબાનોનનાં પ્રચંડ ગંધતરુ પ્રભુએ જાતે રોપેલાં છે; તે તેમનાં પોતાનાં વૃક્ષો છે; તેઓ પુષ્કળ જળથી સંતૃપ્ત થયેલાં છે. તેમના પર પક્ષીઓ પોતાના માળા બાંધે છે; વળી, ત્યાંના દેવદારનાં વૃક્ષ બગલાંનું નિવાસસ્થાન છે. જંગલી બકરાં માટે ઊંચા પર્વતો છે, ભેખડોમાં સસલાંનાં આશ્રયસ્થાનો છે. ચંદ્ર ઋતુઓ દર્શાવે છે, અને સૂર્ય પોતાનો અસ્ત થવાનો સમય જાણે છે. તમે અંધારું કરો છો, એટલે રાત પડે છે; ત્યારે જંગલનાં પશુઓ બહાર નીકળે છે. સિંહનાં બચ્ચાં શિકાર મેળવવા ગર્જે છે; તેઓ ઈશ્વર પાસે પોતાનો આહાર માગે છે. સૂર્યોદય થતાં જ તેઓ પાછાં વળે છે, અને પોતાની ગુફાઓમાં સૂઈ રહે છે. સવારે માણસો પોતાના વ્યવસાયો માટે બહાર આવે છે અને સંયાકાળ સુધી તેઓ પરિશ્રમ કરે છે. હે પ્રભુ, તમારાં કાર્યો અનેકવિધ છે; તમે સઘળું જ્ઞાનથી રચ્યું છે; તમે રચેલાં જીવજંતુથી પૃથ્વી ભરપૂર છે. સમુદ્ર કેટલો પ્રચંડ અને વિશાળ છે! તેમાં અસંખ્ય જળચરો અને નાનાંમોટા જીવો વસે છે. તેમાં વહાણો આવજા કરે છે અને તેમાં લિવયાથાન નામનો જળરાક્ષસ રમે છે. યથા સમયે તમે તેમને આહાર આપો. તે માટે સર્વ જીવો તમારા તરફ મીટ માંડે છે. તમે ખોરાક આપો છો ત્યારે તેઓ એકત્ર કરે છે; તમે મુઠ્ઠી ખોલો ત્યારે તેઓ તૃપ્ત થાય છે. તમે તમારું મુખ સંતાડો છો ત્યારે તેઓ ભયભીત બને છે; તમે તમારો ‘શ્વાસ પાછો લઈ લો’ ત્યારે તેઓ મરણ પામે છે, અને પાછાં માટીમાં ભળી જાય છે. તમે તમારો શ્વાસ મોકલો ત્યારે તેઓ ઉત્પન્‍ન થાય છે અને એમ તમે પૃથ્વીની સપાટીને નવું જીવન બક્ષો છો. પ્રભુનું ગૌરવ સદાસર્વકાળ ટકો! પ્રભુ પોતાના સર્જનથી પ્રસન્‍ન રહો! તે પૃથ્વી પર કરડી નજર કરે ત્યારે તે કાંપી ઊઠે છે. તે પર્વતોને અડકે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે. હું જિંદગીભર પ્રભુનાં ગુણગાન ગાઈશ. હું હયાતીમાં છું ત્યા સુધી મારા ઈશ્વરની સ્તુતિ કર્યા કરીશ. મારું ચિંતન પ્રભુને પ્રસન્‍ન કરો; કારણ, હું પ્રભુમાં આનંદ કરું છું. પૃથ્વી પરથી પાપીઓનો નાશ થાઓ અને દુષ્ટોનો અંત આવો. હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર; યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ! યાહવેનો આભાર માનો, તેમના નામને ઘોષિત કરો; સર્વ દેશોના લોકોમાં તેમનાં કાર્યો પ્રગટ કરો. પ્રભુની સમક્ષ ગીતો ગાઓ, અને વાજિંત્રો વગાડો. તેમનાં સર્વ અજાયબ કાર્યોનું વર્ણન કરો. તેમના પવિત્ર નામ માટે ગર્વ કરો, પ્રભુના આતુર ઉપાસકોનાં હૃદય આનંદિત બનો. પ્રભુને તથા તેના સામર્થ્યને શોધો; સર્વદા તેમના મુખને શોધો. હે પ્રભુના સેવક અબ્રાહામના વંશજો, હે પ્રભુના પસંદ કરેલ યાકોબનાં સંતાનો, પ્રભુએ કરેલાં અજાયબ કાર્યોનું, ચમત્કારોનું તથા તેમના મુખના ન્યાયચુકાદાઓનું સ્મરણ કરો. *** એક માત્ર પ્રભુ જ આપણા ઈશ્વર છે, તેમનાં ન્યાયકૃત્યો આખા જગતમાં સુપ્રસિદ્ધ છે. તે સદા પોતાનો કરાર પાળે છે, અને પોતે આપેલું વચન હજારો પેઢી સુધી યાદ રાખે છે. એ કરાર તેમણે અબ્રાહામ સાથે કર્યો હતો, અને તે વિષે ઇસ્હાક સાથે શપથ લીધા હતા. અને તેને તેમણે આપણા પૂર્વજ યાકોબને માટે ધારાધોરણ તરીકે ઠરાવ્યો; જેથી ઇઝરાયલના લોક માટે તે સાર્વકાલિક કરાર હતો. તેમણે યાકોબને કહ્યું હતું, “હું તને આ કનાન દેશ આપીશ; તે તારો નિયત કરેલ વારસાનો હિસ્સો બનશે.” ઈશ્વરના લોક ત્યારે સંખ્યામાં અલ્પ હતા. ખરેખર છેક થોડા, અને કનાન દેશમાં પ્રવાસી હતા; તેઓ એક દેશમાંથી બીજા દેશમાં તથા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્તા હતા. ત્યારે ઈશ્વરે કોઈને તેમના પર જુલમ કરવા દીધો નહિ, અને તેમનું રક્ષણ કરવા રાજાઓને ચેતવણી આપી, “મારા અભિષિક્ત લોકને રંજાડશો નહિ, તથા મારા સંદેશવાહકોને કંઈ ઉપદ્રવ કરશો નહિ.” ઈશ્વરે કનાન દેશ પર દુકાળ મોકલ્યો; તેથી બધો પાક નિષ્ફળ ગયો. પરંતુ પોતાના લોકને બચાવવા માટે તેમણે ગુલામ તરીકે વેચાઈ ગયેલા યોસેફને તેમની પહેલાં ઇજિપ્તમાં મોકલ્યો. ત્યાં જેલમાં તેના પગ બેડીઓમાં જકડાયેલા હતા, અને તેની ગરદન પર લોહપટ્ટી પહેરાવેલી હતી; યોસેફે ભાખેલું ભવિષ્યકથન પૂર્ણ થયું અને પ્રભુના સંદેશ પ્રમાણે તે સાચો ઠર્યો, ત્યાં સુધી તેની ક્સોટી થઈ. તે પછી ઇજિપ્તના રાજાએ આજ્ઞા કરીને તેને છોડાવ્યો, અને ઘણી પ્રજાઓના એ શાસકે તેને મુક્ત કર્યો. તેણે યોસેફને પોતાના રાજકારભારમાં અધિકારી બનાવ્યો, અને તેની સમસ્ત જમીનજાગીર પર વહીવટદાર તરીકે નિયુક્ત કર્યો; જેથી યોસેફ જાતે જ રાજાના અધિકારીઓને નિયંત્રણમાં રાખે અને તેના મંત્રીઓને સલાહ આપે. પછી તેનો પિતા યાકોબ પરિવાર સાથે ઇજિપ્ત આવ્યો અને હામના પ્રદેશમાં ઇઝરાયલના કુટુંબે નિવાસ કર્યો. પ્રભુએ પોતાના લોકને પુષ્કળ સંતાનો બક્ષ્યાં અને તેમના શત્રુઓ કરતાં તેમને બળવાન બનાવ્યા. ત્યારે પ્રભુએ ઇજિપ્તના લોકોનાં હૃદય ફેરવી નાખ્યાં, જેથી તેઓ પ્રભુના લોકોનો તિરસ્કાર કરે, અને તેમના સેવકો એટલે ઇઝરાયલીઓ સાથે કપટથી વર્તે. પછી ઈશ્વરે પોતાના સેવક મોશેને તથા પોતાના પસંદ કરેલ આરોનને ઇજિપ્ત મોકલ્યા. તેમણે ઇજિપ્તના લોકો મધ્યે ચિહ્નો દેખાડયાં, અને હામના દેશ ઇજિપ્તમાં ઘણા ચમત્કારો કર્યા. ઈશ્વરે અંધકાર મોકલીને બધે અંધારું કર્યું. તેમણે તેમના શબ્દોનો પડકાર કર્યો નહિ. તેમણે તેમની નદીઓને રક્તમાં બદલી નાખી અને તેમાંની સર્વ માછલીઓ મારી નાખી. તેમના દેશમાં પુષ્કળ દેડકાં પેદા થયાં. તેઓ છેક રાજમહેલના ઓરડાઓ સુધી ફરી વળ્યાં. પ્રભુએ આજ્ઞા કરી એટલે માખો તથા જુઓ તેમના આખા દેશ ઉપર ઊભરાયાં. તેમણે તેમના દેશ પર વરસાદને બદલે કરા મોકલ્યા અને તેમની ધરતી પર અગ્નિજ્વાળાઓ વરસાવી. ઈશ્વરે તેમના દ્રાક્ષવેલાઓ અને અંજીરવૃક્ષો નષ્ટ કર્યાં અને આખા દેશનાં વૃક્ષો તોડી પાડયાં. તેમણે આજ્ઞા કરી એટલે તીડો આવ્યાં. અસંખ્ય અને અગણિત કાતરા ઊતરી આવ્યા. તેઓ દેશની સમસ્ત વનસ્પતિને ખાઈ ગયાં અને ભૂમિના સર્વ પાકનો ભક્ષ કરી ગયાં. ઈશ્વરે તેમના દેશમાં સર્વ પ્રથમજનિતોને માર્યા; એટલે, તેમના પૌરુષત્વના પ્રથમ ફળરૂપ સંતાનોનો સંહાર કર્યો. ઈશ્વર ઇઝરાયલીઓને સોનાચાંદીના ઘરેણાં સહિત કાઢી લાવ્યા, તેમનાં કુળોમાં એના ભારથી કોઈ લથડી ગયું નહિ. તેમના પ્રસ્થાનથી ઇજિપ્તવાસીઓ આનંદિત થયા, કારણ, ઇઝરાયલીઓને લીધે તેઓ ભારે ત્રાસ પામ્યા હતા. પ્રભુએ તેમના લોકને છાયા આપવા વાદળ પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ માટે અગ્નિ મોકલ્યો. ઇઝરાયલીઓએ ખોરાક માંગ્યો, એટલે ઈશ્વરે લાવરીઓ મોકલી; પ્રભુએ આકાશના આહારથી તેમને તૃપ્ત કર્યા. ઈશ્વરે ખડકને તોડયો એટલે પાણી ખળખળ કરતું વહ્યું. તે રણપ્રદેશમાં નદીની જેમ વહેવા લાગ્યું. તેમણે પોતાના સેવક અબ્રાહામને તથા તેને આપેલ પવિત્ર પ્રતિજ્ઞાને સંભાર્યાં હતાં. એમ ઈશ્વર પોતાના પસંદ કરેલા લોકને પાછા દોરી લાવ્યા. ત્યારે તેમણે આનંદનાં ગીતો ગાઈને જયજયકાર કર્યો. ઈશ્વરે તેમને અન્ય પ્રજાઓના પ્રદેશો સોંપ્યા અને તેમણે બીજાઓએ કરેલ શ્રમનાં ફળ પર કબજો લીધો. જેથી તેઓ ઈશ્વરના આદેશોનું પાલન કરે અને તેમનો નિયમ પાળે; યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ! યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ! પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે, તેમનો પ્રેમ સાર્વકાલીન છે. પ્રભુનાં મહાન કાર્યોને કોણ વર્ણવી શકે? કોણ તેમની સંપૂર્ણ સ્તુતિ કરી શકે? પ્રામાણિકપણે વર્તન કરનારને અને સર્વસમધ્યે નેકી પ્રમાણે ચાલનારને ધન્ય છે. હે પ્રભુ, તમે તમારા લોક પ્રત્યે સદ્ભાવ દર્શાવો ત્યારે મને પણ સંભારજો. તમે તેમને ઉગારો, ત્યારે મને પણ ઉગારજો. જેથી હું તમારા પસંદ કરેલ લોકનું કલ્યાણ જોઈ શકું, તમારી પ્રજાના આનંદમાં ભાગીદાર બની શકું, અને તમારા વારસો સાથે ગૌરવ લઈ શકું. અમારા પૂર્વજોની જેમ અમે પણ પાપો કર્યાં છે, અમે દુરાચાર કર્યો છે અને દુષ્ટતા આચરી છે. અમારા પૂર્વજો ઇજિપ્ત દેશમાં હતા, ત્યારે તેઓ તમારાં અજાયબ કાર્યો સમજ્યા નહિ; તમારા અપાર પ્રેમને તેમણે યાદ રાખ્યો નહિ. પરંતુ સૂફ સમુદ્ર પાસે તેમણે સર્વોચ્ચ ઈશ્વર સામે વિદ્રોહ કર્યો. છતાં પોતાના નામની ખાતર, અને પોતાનું પરાક્રમ દર્શાવવા ઈશ્વરે તેમને ઉગાર્યા. તેમણે સૂફ સમુદ્રને ધમકાવ્યો એટલે તે સુકાઈ ગયો. જાણે કે સૂકો પ્રદેશ હોય તેમ, તે તેમને ઊંડાણોમાં થઈને દોરી ગયા. ઈશ્વરે તેમને દ્વેષીઓના હાથમાંથી બચાવ્યા, અને શત્રુઓના હાથમાંથી તેમને મુક્ત કર્યા. તેમના વૈરીઓ પાણીમાં ડૂબી ગયા, અને તેમનામાંથી એકપણ જન બચ્યો નહિ. ત્યારે ઇઝરાયલીઓએ પ્રભુના શબ્દો પર વિશ્વાસ કર્યો; અને તેમણે ઈશ્વરની સ્તુતિનાં ગીતો ગાયાં. પરંતુ ટૂંક સમયમાં તેઓ ઈશ્વરનાં કાર્યો વીસરી ગયા, અને તેમની સલાહ સાંભળવાની પણ ધીરજ રાખી નહિ. રણપ્રદેશમાં તેમણે તીવ્ર લાલસા કરી, અને એ વેરાનપ્રદેશમાં તેમણે ઈશ્વરની ક્સોટી કરી. તેથી ઈશ્વરે તેમની માગણી પ્રમાણે તેમને આપ્યું, પણ તેમના પર ભયાનક રોગચાળો મોકલ્યો. લોકોએ પડાવમાં મોશેની તથા પ્રભુના સમર્પિત સેવક આરોનની અદેખાઈ કરી; ત્યારે પૃથ્વી ફાટી અને દાથાનને ગળી ગઈ, વળી તેણે અબિરામ તથા તેના જૂથને દાટી દીધાં. તેમના જૂથમાં અગ્નિ પણ સળગી ઊઠયો, અને તેની જ્વાળાઓએ દુષ્ટોને ભસ્મ કરી નાખ્યા. તેમણે સિનાઈમાં હોરેબ પર્વત આગળ સુવર્ણનો વાછરડો બનાવ્યો અને હાથોથી ઢાળેલી એ મૂર્તિની પૂજા કરી. ઈશ્વરના ગૌરવની સેવા કરવાને બદલે ઘાસ ખાનાર વાછરડાની મૂર્તિની સેવા કરી. તેઓ ઇજિપ્તમાં તેમને માટે મહાન કાર્યો કરનાર તેમના ઉદ્ધારર્ક્તા ઈશ્વરને વીસરી ગયા. ઈશ્વરે તો હામના દેશ ઇજિપ્તમાં અજાયબ કાર્યો કર્યાં હતાં! અને સૂફ સમુદ્ર પાસે ભયાનક કાર્યો કર્યાં હતાં! તેથી ઈશ્વરે તેમના લોકનો નાશ કરવા વિચાર્યું. ત્યારે તેમણે પસંદ કરેલો સેવક મોશે વચ્ચે પડયો. અને લોકનો સંહાર કરવા ઉગ્ર બનેલા ઈશ્વરના કોપને શમાવવા તે ઈશ્વરની સંમુખ વિનવણી કરવા ઊભો રહ્યો. તે પછી તેમણે મનોહર પ્રદેશને તુચ્છ ગણ્યો; કારણ, તેમણે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો નહિ. તેમણે પોતાના તંબૂઓમાં બડબડાટ કર્યો, અને ઈશ્વરની વાણીને આધીન થયા નહિ. ત્યારે ઈશ્વરે હાથ ઊંચા કરીને શપથ લીધા કે તે રણપ્રદેશમાં તેમને ધરાશયી કરશે; અને જુદા જુદા દેશમાં તેમને વિખેરી નાખશે, અને ત્યાં તેમનાં સંતાનો માર્યા જશે. ઈશ્વરના લોકો પેઓરમાં બઆલ નામના દેવતાની પૂજામાં જોડાયા અને તેમણે મૃતજનોનાં શ્રાદ્ધનાં બલિદાનો ખાધાં. પોતાનાં કાર્યોથી તેમણે ઈશ્વરને કોપાયમાન કર્યા; તેથી તેઓમાં મરકી ફાટી નીકળી. જ્યારે ફિનહાસે ઊભા થઈને અપરાધીઓને શિક્ષા કરી ત્યારે ઈશ્વરે મરકી અટકાવી દીધી. આ તેનું કાર્ય તેને માટે ધર્મકાર્ય ગણાયું, અને તે પેઢી દરપેઢી યાદ રખાયું અને સર્વદા યાદ રખાશે. મરીબાના ઝરણા પાસે પણ તેમણે ઈશ્વરને ચીડવ્યા, અને તેમને લીધે મોશે મુકેલીમાં મુક્યો. તેમણે મોશેના દયને એટલું કડવું બનાવ્યું કે તે પોતાના હોઠોથી અવિચારીપણે બોલી ઊઠયો. પ્રભુએ તો તેમને અન્ય પ્રજાઓનો નાશ કરવાની આજ્ઞા આપી હતી, પણ તેમણે તેમનો નાશ કર્યો નહિ. પરંતુ તેમણે તો તેઓ સાથે આંતરલગ્નો કર્યાં, અને તેમના રિવાજો અપનાવ્યા. ઈશ્વરના લોકોએ કનાની મૂર્તિઓની પૂજા કરી, અને એ જ બાબત તેમને માટે ફાંદારૂપ બની. તેમણે પોતાનાં પુત્રપુત્રીઓનાં બલિદાન કનાનના ભૂતિયા દેવોને ચઢાવ્યાં. તેમણે નિર્દોષ બાળકોનું રક્ત વહાવ્યું, એટલે પોતાનાં જ પુત્રપુત્રીઓનું રક્ત કનાનની મૂર્તિઓને ચઢાવ્યું. તે માનવ-બલિદાનના રક્તથી દેશ અશુદ્ધ બન્યો. તેઓ પોતાનાં કામોથી ભ્રષ્ટ બન્યા અને પોતાના દુરાચારોથી ઈશ્વર પ્રત્યે બેવફા નિવડયા. તેથી પોતાના લોકો વિરુદ્ધ પ્રભુનો કોપ સળગી ઊઠયો અને પોતાના વારસા સમ લોક પ્રત્યે તેમને ઘૃણા ઊપજી. તેથી ઈશ્વરે વિધર્મી પ્રજાઓને તેમના પર વિજય પામવા દીધો અને તેમના વૈરીઓએ તેમના પર શાસન કર્યું. તેમના શત્રુઓએ તેમના પર જુલમ ગુજાર્યો. તેઓ સંપૂર્ણ રીતે વૈરીઓની સત્તાને તાબે થયા. ઈશ્વરે તેમને વારંવાર ઉગાર્યા. પરંતુ તેમણે ઇરાદાપૂર્વક વિદ્રોહ કર્યા કર્યો, અને પોતાની દુષ્ટતામાં વધારે ને વધારે ખૂંપી ગયા. તો પણ ઈશ્વરે જ્યારે જ્યારે તેમનો વિલાપ સાંભળ્યો, ત્યારે ત્યારે તેમના સંકટ પ્રત્યે ધ્યાન આપ્યું. ઈશ્વરે પોતાના લોકની ખાતર પોતાનો કરાર સંભાર્યો અને તેમના અગાધ પ્રેમને લીધે તેમને દયા આવી. ઈશ્વરના લોકને બંદિવાન બનાવનારાનાં હૃદયોમાં તેમને માટે દયા પ્રગટાવી. હે યાહવે, અમારા ઈશ્વર, અમને ઉગારો. તમારા પવિત્ર નામનો આભાર માનવાને, તમારી સ્તુતિમાં જયજયકાર કરવાને અમને વિવિધ દેશોમાંથી પાછા એકત્ર કરો. ઇઝરાયલના ઈશ્વર પ્રભુને અનાદિકાળથી અનંતકાળ સુધી ધન્ય હોજો! સર્વ લોકો ‘આમીન’ કહો, યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ! પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે, અને તેમનો પ્રેમ સર્વકાલીન છે. પ્રભુ દ્વારા મુક્ત કરાયેલા જનો એ પ્રમાણે કહો; કારણ, તેમણે તમને શત્રુના હાથમાંથી છોડાવ્યા છે; અને તેમણે તમને વિભિન્‍ન દેશોમાંથી, એટલે, પૂર્વ અને પશ્ર્વિમમાંથી ઉત્તર અને દક્ષિણમાંથી પાછા એકત્ર કર્યા છે. કેટલાક રણપ્રદેશમાં પંથહીન ઉજ્જડ જગાઓમાં ભટક્તા હતા અને વસવાટવાળા કોઈ નગરનો માર્ગ તેમને જડતો નહોતો. ભૂખ અને તરસને કારણે તેમના પ્રાણ આકુળવ્યાકુળ બન્યા હતા. ત્યારે પોતાના સંકટમાં તેમણે પ્રભુને પોકાર કર્યો એટલે તેમણે તેમને વિપત્તિમાંથી છોડાવ્યા. ઈશ્વરે તેમને એવે સીધે માર્ગે દોર્યા કે જેથી તેઓ વસવાલાયક નગરે પહોંચી ગયા. પ્રભુનો પ્રેમ અને માનવજાત માટે તેમણે કરેલાં અજાયબ કાર્યો માટે સૌ તેમનો આભાર માનો! તે તૃષાતુર જનોને તૃપ્ત કરે છે, અને ક્ષુધાતુર જનોને ઉત્તમ વસ્તુઓથી સંતુષ્ઠ કરે છે. કેટલાક ખિન્‍નતામાં અને ઘોર અંધારી જગામાં જીવતા હતા, અને કેદીઓ તરીકે પીડિત અને બેડીઓમાં જકડાયેલા હતા; કારણ, તેમણે ઈશ્વરની આજ્ઞાઓ વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો, અને સર્વોચ્ચ ઈશ્વરની શિખામણોની ઘૃણા કરી હતી. સખત મજૂરીથી તેમનાં મન ભાંગી પડયાં હતાં. તેઓ લથડી જાય તો તેમને સહાય કરનાર કોઈ હતું નહિ. ત્યારે પોતાના સંકટમાં તેમણે પ્રભુને પોકાર કર્યો, એટલે તેમણે તેમને વિપત્તિમાંથી છોડાવ્યા. ઈશ્વર તેમને ખિન્‍નતા અને ઘોર અંધકારમાંથી બહાર લાવ્યા, અને તેમની બેડીઓ તોડી નાખી. પ્રભુનો પ્રેમ અને માનવજાત માટે તેમણે કરેલાં અજાયબ કાર્યો માટે સૌ તેમનો આભાર માનો! કારણ, તે શત્રુઓની કેદનાં તામ્રદ્વારો પણ તોડી નાખે છે; તે તેમના લોખંડી સળિયાઓના ટુકડા કરી દે છે. કેટલાક તેમના મૂર્ખતાભર્યા અપરાધોને લીધે કમજોર બન્યા હતા, અને તેમના દુરાચારને લીધે રીબાતા હતા. સૌ કોઈ પ્રકારના ખોરાક પ્રત્યે તેમને ભારે અરુચિ પેદા થઈ હતી, અને તેઓ મૃત્યુદ્વારની નજીક આવી પહોંચ્યા હતા. ત્યારે પોતાના સંકટમાં તેમણે પ્રભુને પોકાર કર્યો, એટલે તેમણે તેમને વિપત્તિમાંથી છોડાવ્યા. ઈશ્વરે પોતાની આજ્ઞા પાઠવીને તેમને સાજા કર્યા અને વિનાશના ગર્તમાંથી તેમને જીવતા બહાર કાઢયા. પ્રભુનો પ્રેમ અને માનવજાત માટે તેમણે કરેલાં અજાયબ કાર્યો માટે સૌ તેમનો આભાર માનો! સૌ સાજા થયેલાઓ આભાર બલિનાં બલિદાનો ચડાવે, અને જયજયકારનાં ગીતો ગાતાં ઈશ્વરનાં કાર્યો વર્ણવે. કેટલાક લોકો વેપાર અર્થે વહાણોમાં દરિયાઈ મુસાફરીએ જતા, અને આજીવિકા માટે મહાસાગરોનો પ્રવાસ ખેડતા. તેમણે પ્રભુનાં મહાન કાર્યોને એટલે ઈશ્વરે અગાધ સાગરો પર ઉપજાવેલાં તોફાનો જોયાં. ઈશ્વરે આજ્ઞા આપી એટલે તોફાની પવન ફૂંક્યો. તેથી દરિયાનાં મોજાં ખૂબ ઊંચે ઊછળ્યાં. વહાણો જાણે આકાશ સુધી ઊંચે ઊછળ્યાં અને પછી તેમણે ઊંડાણોમાં ડૂબકી ખાધી. આવા મહાજોખમમાં માણસો નાસીપાસ થઈ ગયા. તેમણે પીધેલાની જેમ લથડિયાં ખાધાં અને ડગમગી ગયા. વહાણ હંકારવાની તેમની કુશળતા વ્યર્થ નીવડી. ત્યારે પોતાના સંકટમાં તેમણે પ્રભુને પોકાર કર્યો અને તેમણે તેમને વિપત્તિમાંથી છોડાવ્યા. ઈશ્વરે તોફાન શાંત પાડયું અને સમુદ્રનાં મોજાં ઓસરી ગયાં. શાંતિ સ્થપાવાથી માણસો આનંદિત થયા, અને ઈશ્વરે તેમને તેમના ઇચ્છિત બંદરે પહોંચાડયા. પ્રભુનો પ્રેમ અને માનવજાત માટે તેમણે કરેલાં અજાયબ કાર્યો માટે સૌ તેમનો આભાર માનો! એ બચી ગયેલા લોકો ભક્તિસભામાં ઈશ્વરને ઉન્‍નત મનાવે, અને વડીલોના સંમેલનમાં તેમની સ્તુતિ કરે. કોઈ એક પ્રદેશના રહેવાસીઓની દુષ્ટતાને લીધે, ઈશ્વર નદી સૂકવીને તથા ઝરણાં વહેતાં અટકાવીને તે પ્રદેશની જમીનને રણપ્રદેશમાં પલટી નાખે છે; તથા ફળદ્રુપ જમીનને ખારાપાટમાં ફેરવી નાખે છે. *** એથી ઊલટું, તે રણપ્રદેશમાં જળાશયો ઉપજાવે છે, અને સૂકી ભૂમિમાં ઝરણાં વહાવે છે. ઈશ્વર ત્યાં ભૂખ્યાં જનોને વસાવે છે, અને તેઓ વસવાટ માટે નગરો બાંધે છે. તેઓ ખેતરોમાં વાવણી કરે છે અને દ્રાક્ષવેલાઓ રોપે છે અને મબલક પાક ઉપજાવે છે. ઈશ્વરની આશિષથી તેમની સંતતિમાં ખૂબ વૃદ્ધિ થાય છે. વળી, તે તેમના પશુધનને પણ ઘટવા દેતા નથી. જ્યારે શત્રુઓના જુલમથી, સંકટોથી અને દુ:ખોથી તેમની વસ્તી ઘટી જાય અને તેઓ પરાજયની નામોશી અનુભવે છે, ત્યારે ઈશ્વર તેમના જુલમગારો પ્રત્યે ઘૃણા દાખવે છે, અને જુલમીઓને પંથહીન વેરાનપ્રદેશમાં ભટકાવે છે; પરંતુ તે કંગાલોને જુલમીઓના દમનમાંથી ઉગારે છે અને તેમના પરિવારોની ઘેટાંનાં ટોળાની જેમ વૃદ્ધિ કરે છે. સરળ જનો તે નિહાળીને આનંદિત બને છે, પણ સર્વ દુરાચારીઓના મોં બંધ થઈ જાય છે. જે જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને માણસો પ્રભુની ભલાઈનાં કાર્યો પર વિચાર કરશે. (ગાયન: દાવિદનું ગીત) હે ઈશ્વર, મારા મનને તમારી લગની લાગી છે. હું ગીતો ગાઈશ અને વાજિંત્રો પણ વગાડીશ. હે મારા પ્રાણ, જાગ. મારી વીણા તથા તાનપુરા તમે પણ જાગો. હું જાતે પ્રભાતને જગાડીશ. હે પ્રભુ, હું વિવિધ દેશોના લોકોની મધ્યે તમારી આભારસ્તુતિ કરીશ, હું સર્વ પ્રજાઓની વચમાં તમારાં ગુણગાન ગાઈશ. તમારો પ્રેમ આકાશોથી પણ ઊંચે પ્રસરેલો છે, અને તમારું વિશ્વાસુપણું વાદળોને પણ આંબે છે. હે ઈશ્વર, તમારી મહત્તા આકાશ કરતાં ઉન્‍નત મનાઓ અને સમસ્ત સૃષ્ટિમાં તમારું ગૌરવ વ્યાપી રહો. અમને પ્રત્યુત્તર આપો, અને તમારા જમણા હાથથી અમને વિજય પમાડો; જેથી અમે તમારાં પ્રિયજનો ઊગરી જઈએ. ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાંથી વચન આપે છે: “હું વિજયના આનંદ સાથે શખેમ પ્રદેશના ભાગ પાડીશ, અને સુક્કોથના ખીણપ્રદેશને મારા લોકોમાં વહેંચી આપીશ. ગિલ્યાદનો પ્રદેશ મારો શિરતાજ છે, અને યહૂદિયાનો પ્રદેશ મારો રાજદંડ છે. મોઆબનો પ્રદેશ મારા હાથપગ ધોવાના પાત્ર સમાન બનશે. માલિકીની નિશાની તરીકે હું અદોમ પર મારું પગરખું નાખીશ. પલિસ્તી પ્રદેશ પર હું જયઘોષ કરીશ.” સહાય માટે પ્રાર્થના હે ઈશ્વર, મને કિલ્લેબંધ નગરમાં કોણ લઈ જશે? અદોમ સુધી મને કોણ પહોંચાડશે? હે ઈશ્વર, શું તમે સાચે જ અમારો ત્યાગ કર્યો છે? શું તમે અમારાં સૈન્યો સાથે કૂચ કરવાના નથી? શત્રુઓ વિરુદ્ધ અમને સહાય કરો. કારણ, માનવી સહાય વ્યર્થ છે. ઈશ્વર અમારા પક્ષે હોવાથી અમે વીરતાથી લડીશું. તે જ અમારા વૈરીઓને છૂંદી નાખશે. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) હે મારી સ્તુતિના ઈશ્વર, તમે મૌન ન રહેશો. દુર્જનો અને કપટીઓનાં મુખ મારા પર આરોપ મૂકે છે. તેમની જીભો મારી વિરુદ્ધ જૂઠું દોષારોપણ કરે છે. તેમણે દ્વેષીલા શબ્દો વડે મને ઘેરી લીધો છે, તેઓ મારા પર વિનાકારણ પ્રહાર કરે છે. પણ હું તો તેમના પર પ્રેમ રાખું છું અને પ્રાર્થના કરું છું. તેઓ મારી ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે, અને મારા પ્રેમનો બદલો ઘૃણાથી વાળે છે. મારા શત્રુની સુનાવણી માટે દુષ્ટને નીમો, તેના પર આરોપ મૂકવા તેના જમણા હાથે શેતાન સમા વિરોધીને ઊભો રાખો. તેનો ન્યાય થતાં તે ગુનેગાર પુરવાર થાઓ; તેની બચાવ માટેની અરજ પણ અપરાધરૂપ ગણાઓ. તેની જિંદગીનો તત્કાળ અંત આવો; તેનું પદ બીજો કોઈ પડાવી લો. તેનાં બાળકો પિતૃહીન, અને તેની પત્ની વિધવા બનો. તેનાં બાળકો રખડી રખડીને ભીખ માગો; તેમને ઉજ્જડ ખંડેરોમાંથી પણ હાંકી કાઢવામાં આવો. તેના લેણદારો તેની સર્વ સંપત્તિ છીનવી લો, અને અજાણ્યાઓ તેના પરિશ્રમનું ફળ લૂંટી લો. કોઈ તેના પ્રત્યે કદી દયા ન દર્શાવો; તેનાં અનાથ બાળકોની કોઈ દરકાર ન કરો. તેના વંશનો ઉચ્છેદ થાઓ. બીજી પેઢીમાં જ તેનું નામ વિસ્મૃત થાઓ. પ્રભુની સંમુખ તેના પૂર્વજોના દોષ સંભારવામાં આવો, અને તેની માતાનાં પાપો કદી ભૂંસાઈ ન જાઓ. તેનાં પાપો નિત્ય પ્રભુની સમક્ષ રહો; પરંતુ તેનું નામનિશાન પૃથ્વી પરથી નષ્ટ થાઓ. કારણ, તેણે કદી દયા દર્શાવવાનું યાદ રાખ્યું નહિ, પણ તેણે પીડિત અને કંગાલો પર જુલમ કર્યો, અને લાચારજનોની હત્યા કરવા પીછો કર્યો. શાપ દેવાનું તેને પ્રિય હતું, માટે તેને જ શાપ લાગો. આશિષ આપવાનું તેને ગમતું નહિ, માટે આશિષ તેનાથી દૂર રહો. વસ્ત્રની જેમ તે સતત શાપ માટે ધારણ કરતો હતો; પીધેલા પાણીની જેમ તેના શાપ તેના શરીરની અંદર પ્રવેશો, અને માલિશના તેલની જેમ તેનાં હાડકાં સુધી પહોંચો. તેના શાપ તેને વસ્ત્રની જેમ ઢાંકો, અને કમરબંધની જેમ તે તેને વીંટળાયેલા રહો. મારા પર દોષારોપણ કરનારાઓને અને મારી વિરુદ્ધ ભૂંડી વાતો કહેનારાઓને પ્રભુ તરફથી એવું પ્રતિફળ મળો. પરંતુ હે યાહવે, મારા પ્રભુ, તમારા નામ ખાતર મારી સહાય કરો; તમારા પ્રેમ અને ભલાઈને લીધે મને ઉગારો. હું પીડિત અને કંગાલ છું. મારું હૃદય વિંધાયું છે. ઢળતી સાંજના પડછાયાની જેમ હું લુપ્ત થતો જઉં છું; જીવડાંની જેમ મને ખંખેરી નાખવામાં આવે છે. ઉપવાસોથી મારા ઘૂંટણો લથડિયાં ખાય છે; પૌષ્ટિક ખોરાકને અભાવે મારુ શરીર ક્ષીણ બન્યું છે. હું શત્રુઓની મજાકનું પાત્ર લાગ્યો છું; તેઓ મને જોઈને તિરસ્કારથી માથાં ધૂણાવે છે. હે પ્રભુ મારા ઈશ્વર મારી મદદ કરો; તમારા પ્રેમને લીધે મને ઉગારો. મારા શત્રુઓને એ જાણવા દો કે તમારા હાથે જ મારો ઉદ્ધાર થયો છે; અને હે પ્રભુ, તમે જ મારો ઉદ્ધાર કર્યો છે. તેઓ ભલે શાપ દે, પણ તમે મને આશિષ આપો; તેઓ ભલે આક્રમણ કરે, પણ તેઓ લજ્જિત થશે; પરંતુ હું તમારો સેવક આનંદિત થઈશ. મારા પર આરોપ મૂકનારા કલંકથી ઢંકાઈ જાઓ; પોતાની શરમના આવરણથી તેઓ ઢંકાઈ જાઓ. મારા મુખે હું પ્રભુનો મોટો આભાર માનીશ; મોટા જન સમુદાયમાં હું તેમની સ્તુતિ કરીશ. કારણ, ઈશ્વર કંગાલના જમણા હાથે ઊભા રહી તેને મૃત્યુદંડ દેનારાઓના હાથમાંથી ઉગારે છે. (દાવિદનું ગીત) યાહવેએ મારા માલિક રાજાને કહ્યું, “તારા શત્રુઓને હરાવીને હું તેમને તારું પાયાસન બનાવું, ત્યાં સુધી તું મારે જમણે હાથે સન્માનમાં બિરાજ.” હે રાજા, પ્રભુએ તને રાજસત્તાનો રાજદંડ આપ્યો છે, તેથી સિયોનનગરમાંથી તારા શત્રુઓ પર સત્તાની આણ વર્તાવ. તારે યુદ્ધ કરવાનો સમય આવશે ત્યારે તારા લોકો તને ખુશીથી અનુસરશે. હે રાજા, તું પ્રતાપી અને ગૌરવી વસ્ત્રો ધારણ કરે છે, અને પરોઢિયાને પેટે જન્મેલા ઝાકળના જેવી તારી જુવાની તાજગીભરી છે. પ્રભુએ શપથ લઈને કહ્યું છે, અને તે પોતાનું મન બદલશે નહિ; “મેલ્ખીસેદેકની પરંપરા પ્રમાણે તું મારો સનાતન યજ્ઞકાર છે.” હે રાજા, પ્રભુ તારે પડખે છે, પોતાના કોપના દિવસે તે અન્ય રાજાઓના ચૂરેચૂરા કરી નાખશે. તે દેશો પર ન્યાયશાસન લાવે ત્યારે રણક્ષેત્ર મૃતદેહોથી ઊભરાઈ જશે; અને ધરતીના વિશાળ ક્ષેત્રમાં સેનાપતિઓના પણ ભૂક્કા બોલાવશે. હે રાજા, માર્ગમાં આવતા ઝરણાના જળનું આચમન કરજે, અને વિજયમાં મસ્તક ઉઠાવજે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! હું સંપૂર્ણ દયથી પ્રભુનો આભાર માનીશ; સરળજનોના સમુદાયમાં એટલે ભક્તિસભામાં તેમની સ્તુતિ કરીશ. પ્રભુનાં કાર્યો મહાન છે; તેમનામાં આનંદ પામનાર સૌ તેમનું અયયન કરે છે. તેમનું દરેક કાર્ય મહિમા અને ભવ્યતાથી પરિપૂર્ણ છે; તેમની ભલાઈ સદાકાળ ટકે છે. ઈશ્વર પોતાનાં અજાયબ કાર્યો દ્વારા તેમનું સંસ્મરણ કરાવે છે; પ્રભુ કૃપાળુ તથા દયાળુ છે. તે પોતાના ભક્તોને ખોરાક પૂરો પાડે છે; તે પોતાના કરારને સદા યાદ રાખે છે. પોતાના લોકો સમક્ષ પોતાનું પરાક્રમ પ્રગટ કરવા, ઈશ્વરે અન્ય પ્રજાઓનો વારસામય દેશ તેમને આપ્યો છે. તેમનાં હાથનાં કાર્યોમાં સચ્ચાઈ અને ઇન્સાફ છે; તેમની આજ્ઞાઓ વિશ્વસનીય છે; તે સદાને માટે અવિચળ છે; તે સચ્ચાઈ અને શુદ્ધતામાં ઘડાયેલી છે. ઈશ્વરે પોતાના લોકો માટે મુક્તિમૂલ્ય ચૂકવ્યું છે; તેમણે સદાકાળ માટે પોતાનો કરાર સ્થાપ્યો છે; તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે. પ્રભુનો આદરયુક્ત ડર રાખવો એ જ જ્ઞાનનો આરંભ છે; તે પ્રમાણે વર્તનારને ઉત્તમ સમજ પ્રાપ્ત થાય છે. ઈશ્વરની સ્તુતિ સર્વકાળ ટકશે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર જનને ધન્ય છે! તે તેમની આજ્ઞાઓ પાળવામાં બહુ પ્રસન્‍ન થાય છે. તેનાં સંતાનો દેશમાં પરાક્રમી થશે; એ સરળજનના વંશજો આશીર્વાદિત થશે. તેના ઘરમાં ધનસંપત્તિ રહેશે; તેની ભલાઈ સદા ટકશે. સરળજન માટે અંધકારમાં યે પ્રકાશ પ્રગટે છે; કારણ, તે કૃપાળુ માયાળુ અને નેક છે. એ ભલો માણસ અન્યને ઉછીનું આપવામાં ઉદાર હોય છે; તે પોતાનો વ્યવસાય પ્રામાણિકપણે ચલાવે છે. સાચે જ એ નેકજન કદી ડગશે નહિ; તેની સ્મૃતિ સદા ટકશે. તેને કોઈ ખરાબ સમાચારનો ડર નથી; પ્રભુ પર ભરોસો રાખવામાં તેનું હૃદય દઢ છે. તેનું હૃદય અચલ છે, અને તે ભયભીત થતો નથી. અંતે તે પોતાના શત્રુઓનો પરાજય જોશે. તે કંગાલોને ઉદારતાપૂર્વક દાન આપે છે; તેની ભલાઈ સદા ટકશે. તે શક્તિશાળી બનશે અને સન્માન પામશે. દુષ્ટ નેકજનની આબાદી જોઈને ચીડાશે; તે રોષથી દાંત પીસશે અને સૂક્તો જશે, એમ દુષ્ટોની ધારણાઓ નિષ્ફળ જશે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! હે પ્રભુના સેવકો, તેમની સ્તુતિ કરો; યાહવેના નામની સ્તુતિ કરો. હમણાંથી સર્વકાળ સુધી યાહવેના નામને ધન્ય હો! સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યાહવેના નામની સ્તુતિ થાઓ. પ્રભુ સર્વ રાષ્ટ્રો પર સર્વોપરી શાસક છે; તેમનો મહિમા આકાશોથી ઊંચો છે. આપણા ઈશ્વર પ્રભુ સમાન કોણ છે? તે ઉચ્ચસ્થાન પર બિરાજમાન છે. પણ તે પૃથ્વી પર દષ્ટિપાત કરવા આકાશમાંથી ઝૂકીને નીચે જુએ છે. તે ધૂળમાંથી ગરીબોને ઉપર લાવે છે. અને ઉકરડા ઉપરથી કંગાલોને ઊંચે ઉઠાવે છે. તે તેમને આગેવાનો સાથે સન્માનનું સ્થાન આપે છે, અને તેમને પોતાના લોકના આગેવાનો સાથે બેસાડે છે. ઈશ્વરની આશિષ વંધ્યાને સંતાનોની આનંદી માતા બનાવે છે અને વંધ્યાને તેના જ ઘરમાં વસાવે છે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! જ્યારે ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળ્યા, એટલે, યાકોબના વંશજો પરભાષી પ્રજામાંથી નીકળી આવ્યા; ત્યારે યહૂદિયાનો પ્રદેશ ઈશ્વરનું પવિત્રસ્થાન બન્યો, અને ઇઝરાયલ દેશ તેમનું અધિકારક્ષેત્ર બન્યો. સમુદ્ર તે જોઈને નાઠો, અને યર્દન નદી પાછી હઠી; પર્વતો બકરાઓની જેમ અને ટેકરીઓ ઘેટાંની જેમ ભયથી કૂદયાં. હે સમુદ્ર, તને શું થયું કે તું નાઠો? હે યર્દન, તું કેમ પાછી હઠી? હે પર્વતો, તમે બકરાઓની જેમ અને હે ટેકરીઓ, તમે ઘેટાંની જેમ કેમ કૂદયાં? હે પૃથ્વી, પ્રભુની હજૂરમાં, અમારા પૂર્વજ યાકોબના ઈશ્વરની હજૂરમાં ધ્રૂજી ઊઠ. તે ખડકને જળાશયમાં અને ચકમકના ખડકને ઝરણામાં ફેરવી નાખે છે. હે યાહવે, અમારે લીધે નહિ, અમારે લીધે નહિ, પરંતુ તમારા નામને લીધે, અને તમારા પ્રેમ તથા વિશ્વાસુપણાને લીધે, તમારું ગૌરવ પ્રગટ કરો. અન્ય પ્રજાઓ એવું શા માટે પૂછે કે, “તમારા ઈશ્વર ક્યાં છે?” અમારા ઈશ્વર તો સ્વર્ગમાં છે. પોતાની ઇચ્છા મુજબ કરવા તે સર્વશક્તિમાન છે, પરંતુ અન્ય પ્રજાઓની દેવમૂર્તિઓ તો સોનારૂપાની જ છે, અને તે માણસોના હાથે ઘડાયેલી છે. તેમને મુખ છે, પણ બોલી શક્તી નથી; આંખો છે, પણ જોઈ શક્તી નથી; તેમને કાન છે, પણ સાંભળી શક્તી નથી; નાક છે, પણ સૂંધી શક્તી નથી; તેમને હાથ છે, પણ સ્પર્શી શક્તી નથી; પગ છે, પણ ચાલી શક્તી નથી. અરે, તેઓ પોતાના ગળામાંથી શ્વાસોચ્છવાસનો અવાજ પણ કાઢી શક્તી નથી. તેમને ઘડનારા તેમ જ તેમના પર ભરોસો રાખનારા સર્વ હાથે ઘડેલી મૂર્તિઓ જેવા વ્યર્થ થશે. હે ઇઝરાયલના લોક, તમે પ્રભુ પર ભરોસો રાખો; તે જ તમારા બેલી અને તમારી સંરક્ષક ઢાલ છે હે આરોનવંશી યજ્ઞકારો, પ્રભુ પર ભરોસો રાખો; તે જ તમારા સહાયક અને તમારી સંરક્ષક ઢાલ છે. હે પ્રભુના ભક્તો, તમે પણ પ્રભુ પર ભરોસો રાખો; તે જ તમારા સહાયક અને તમારી સંરક્ષક ઢાલ છે. પ્રભુ આપણને સંભારે છે, અને તે આપણને આશિષ આપશે, ઇઝરાયલના લોકને તે આશિષ આપશે; આરોનવંશી યજ્ઞકારોને તે આશિષ આપશે. પ્રભુ તેમના ભક્તોને, નાનામોટા સર્વને આશિષ આપશે. પ્રભુ તમને આબાદ કરો, તમને તથા તમારા વંશજોને પુષ્કળ સંતતિ આપો. આકાશ તથા પૃથ્વીના સર્જક પ્રભુ તમને આશિષ આપો. આકાશોનાં આકાશો પ્રભુનાં છે, પણ પૃથ્વી તો તેમણે માનવજાતને આપી છે. મૃતકો, એટલે મૃત્યુલોક શેઓલની નીરવતામાં ઊતરી જનારાં યાહની સ્તુતિ કરી શક્તાં નથી. પરંતુ અમે જીવંત જનો તો હમણાંથી સર્વકાળ સુધી યાહની સ્તુતિ કરીશું. યાહની સ્તુતિ કરો: હાલ્લેલુયાહ! હું પ્રભુ પર પ્રેમ રાખું છું; કારણ, તેમણે મારી અરજ સાંભળી છે. જ્યારે મેં પોકાર કર્યો, ત્યારે તેમણે મારા પ્રત્યે પોતાનો કાન ધર્યો. મરણના પાશ મને વીંટળાઈ વળ્યા હતા; મૃત્યુલોક શેઓલના ફાંદામાં હું ફસાઈ ગયો હતો. મારા પર સંકટ અને વેદના આવી પડયાં હતાં. ત્યારે મેં યાહવેને નામે પોકાર કર્યો; “હે યાહવે, દયા કરીને મારા પ્રાણને બચાવો.” પ્રભુ કૃપાળુ અને ભલા છે; આપણા ઈશ્વર દયાળુ છે. પ્રભુ ભોળાજનોનું રક્ષણ કરે છે; હું બીમારીને લીધે જોખમમાં આવી પડયો ત્યારે તેમણે મને બચાવ્યો. હે મારા પ્રાણ, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ, પ્રભુ તારા પ્રત્યે ભલાઈથી વર્ત્યા છે. તમે મને મૃત્યુમાંથી, મારી આંખોને આંસુથી, અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે. તેથી જીવંતજનોના આ જગતમાં હું પ્રભુની સંમુખ ચાલીશ જ્યારે મેં કહી દીધુ કે, “હું સંપૂર્ણપણે કચડાઈ ગયો છું.” વળી, મેં મારા ગભરાટમાં, એમ પણ કહી દીધું કે, “સર્વ માણસો પર રાખેલી આશા વ્યર્થ છે,” ત્યારે પણ મેં ઈશ્વર પર વિશ્વાસ રાખવાનું ચાલુ રાખ્યું. *** પ્રભુએ મારા પર કરેલા સર્વ ઉપકારો માટે હું તેમને શો બદલો આપું? મારા હાથમાં ઉદ્ધારદર્શક પ્યાલો ઉઠાવીને હું યાહવેના નામને ધન્યવાદ આપીશ. પ્રભુ આગળ માનેલી મારી સર્વ માનતાઓ હું તેમના સર્વ લોકની સન્મુખ પૂરી કરીશ. પ્રભુની દષ્ટિમાં તેમના સંતોનું મરણ અતિ મૂલ્યવાન છે હે પ્રભુ, સાચે જ હું તમારો સેવક, અને તમારી સેવિકાનો પુત્ર છું; તમે મારાં બંધનો છોડયાં છે. હું તમને આભારબલિ ચડાવીશ, અને યાહવેના નામને ધન્યવાદ આપીશ. પ્રભુની આગળ માનેલી મારી માનતાઓ હું યરુશાલેમ નગરમાં, પ્રભુના મંદિરના આંગણાંના તેમના સર્વ લોક સન્મુખ પૂરી કરીશ. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! હે સર્વ દેશો, પ્રભુની સ્તુતિ કરો; હે સર્વ પ્રજાઓ, તેમને ઉન્‍નત માનો. કારણ, તેમનો પ્રેમ શ્રેષ્ઠ છે અને તેમનું વિશ્વાસુપણું સર્વકાલીન છે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે, તેમનો પ્રેમ સર્વકાલીન છે. ઇઝરાયલના લોકો તમે આમ કહો; “તેમનો પ્રેમ, સર્વકાલીન છે.” આરોનવંશી યજ્ઞકારો, તમે આમ કહો; “તેમનો પ્રેમ સર્વકાલીન છે.” પ્રભુના ભક્તો, તમે આમ કહો; “તેમનો પ્રેમ સર્વકાલીન છે.” સંકટમાં મેં યાહને પોકાર કર્યો, એટલે તેમણે મને ઉત્તર આપ્યો; તે મને વિશાળ જગામાં લાવ્યા. પ્રભુ મારી સાથે છે; તેથી હું ડરવાનો નથી. માણસ મને શું નુક્સાન કરી શકે? પ્રભુ મારી પડખે છે; તેથી મારા શત્રુઓનો પરાજય જોઈને હું આનંદ પામીશ. માણસો પર ભરોસો રાખવા કરતાં પ્રભુ પર આધાર રાખવો સારો છે. શાસકો પર ભરોસો રાખવા કરતાં પ્રભુ પર આધાર રાખવો સારો છે. ઘણા શત્રુઓએ મને ઘેરી લીધો હતો, પરંતુ યાહવેના નામના સામર્થ્યથી મેં તેમનો સંહાર કર્યો. તેમણે મને ચારે બાજુથી બરાબર ઘેરી લીધો હતો; પરંતુ યાહવેના નામના સામર્થ્યથી મેં તેમનો સંહાર કર્યો. મધમાખીઓની જેમ તેમણે મને ઘેર્યો હતો, પણ તે ઝાંખરાની આગની જેમ જલદી હોલવાઈ ગયા અને યાહવેના નામના સામર્થ્યથી મેં તેમનો સંહાર કર્યો. મને ગબડાવી દેવા તેમણે ભારે ધક્કા માર્યા; પરંતુ પ્રભુએ મને સહાય કરી. યાહ મારું સામર્થ્ય અને ગીત છે. તે મને વિજય અપાવે છે. ઈશ્વરના નેકજનોના પડાવોમાં જયજયકારના અને વિજયના પોકારો સંભળાય છે: “પ્રભુના જમણા ભુજે વિજય પ્રાપ્ત કર્યો છે, પ્રભુનો જમણો ભુજ ઊંચો કરાયેલો છે, પ્રભુના જમણા ભુજે વિજય પ્રાપ્ત કર્યો છે.” હું મૃત્યુ પામ્યો નહિ પણ જીવતો રહ્યો, તેથી હું યાહનાં અદ્‍ભુત કાર્યોને પ્રગટ કરીશ. જો કે યાહે મને સખત શિક્ષા કરી, પરંતુ તેમણે મને મૃત્યુને સોંપી દીધો નથી. ઈશ્વરનિષ્ઠ લોકોનું પ્રવેશદ્વાર મારે માટે પણ ખોલો; જેથી હું તેમાં થઈને જાઉં, અને યાહનો આભાર માનું. આ પ્રભુના મંદિરનું દ્વાર છે; માત્ર ઈશ્વરનિષ્ઠ લોકો જ તેમાંથી પ્રવેશે છે. હું તમારો આભાર માનું છું, કારણ, તમે મને વિજય અપાવ્યો છે; તમે મારા ઉદ્ધારક બન્યા છો. ‘જે પથ્થરને બાંધકામ કરનારાઓએ રદબાતલ ગણ્યો હતો તે જ પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો!’ આ તો પ્રભુએ કરેલું કાર્ય છે; આપણી દષ્ટિમાં તે આશ્ર્વર્યજનક છે. આ તો પ્રભુના વિજયનો દિવસ છે; ચાલો, આપણે તેમાં આનંદોત્સવ કરીએ. હે પ્રભુ, કૃપા કરી અમને બચાવો; હે પ્રભુ, કૃપા કરી અમને વિજયી બનાવો. યાહવેને નામે જે આવે છે તે આશીર્વાદિત હો. પ્રભુના મંદિરમાંથી અમે તમને આશિય આપીએ છીએ. યાહવે જ એકમાત્ર ઈશ્વર છે. તેમણે આપણને પ્રકાશ આપ્યો છે. વેદીનાં શિંગો સાથે પર્વના બલિદાનને દોરડાંથી બાંધો. તમે મારા ઈશ્વર છો, હું તમારો આભાર માનું છું. હે મારા ઈશ્વર, હું તમારી મહત્તા પ્રસિદ્ધ કરીશ. પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે; તેમનો પ્રેમ સર્વકાલીન છે. પ્રભુના નિયમ અનુસાર વર્તી નિષ્કલંક જીવન જીવનારાઓને ધન્ય છે. ઈશ્વરનાં સાક્ષ્યવચનો પાળનારાઓને તથા સંપૂર્ણ દયથી તેમની શોધ કરનારાઓને ધન્ય છે. તેઓ કદી દુરાચાર આચરતા નથી; પરંતુ તેઓ ઈશ્વરના માર્ગમાં ચાલે છે. તમે જ અમને તમારા આદેશો ખંતથી પાળવાનું ફરમાવ્યું છે. તમારાં ફરમાનોનું પાલન કરવા મારું આચરણ દઢ થાય તો કેવું સારું! જો હું તમારી સર્વ આજ્ઞાઓ ધ્યાનમાં રાખું તો હું કદી લજ્જિત થઈશ નહિ. હું તમારાં ધારાધોરણો સમજીશ, ત્યારે હું નિખાલસ દયથી તમારો આભાર માનીશ. હું તમારાં ફરમાન પાળીશ; તમે કદી મારો ત્યાગ કરશો નહિ. યુવાન માણસ પોતાનું આચરણ કેવી રીતે શુદ્ધ રાખી શકે? તમારા બોધ પ્રમાણે વર્તવાથી. હું મારા સંપૂર્ણ દયથી તમને શોધું છું; તમારી આજ્ઞાઓનું પાલન ચૂકીને મને ભટકવા ન દેશો. હું તમારી વિરુદ્ધ પાપ ન કરું તે માટે મેં તમારો સંદેશ મારા હૃદયમાં સંઘરી રાખ્યો છે. હે પ્રભુ, એકમાત્ર તમે જ સ્તુતિપાત્ર છો; તમારાં ફરમાનો મને શીખવો. તમારા મુખનાં સર્વ ચુકાદા હું મારા હોઠોથી મુખપાઠ કરીશ. પુષ્કળ સંપત્તિમાં રાચવા કરતાં તમારાં નિયમનોનાં અનુસરણમાં મને વધુ આનંદ મળે છે. હું તમારા આદેશોનું મનન કરીશ, અને મારી દષ્ટિ સદા તમારા માર્ગો પર રાખીશ. તમારાં ફરમાનોથી હું પ્રસન્‍ન થાઉં છું; હું તમારા શિક્ષણને વીસરીશ નહિ. આ તમારા સેવક સાથે ઉદારતાથી વર્તો, જેથી હું જીવતો રહું અને તમારા શિક્ષણને અનુસરું. તમારા નિયમશાસ્ત્રમાંનાં અજાયબ સત્યો સમજવા માટે મારી આંખો ઉઘાડો. હું તો આ પૃથ્વી પર પ્રવાસી છું; તમારી આજ્ઞાઓ મારાથી સંતાડશો નહિ. તમારાં ધારાધોરણો માટે મારો પ્રાણ હરહમેશ તીવ્ર ઝંખનામાં ઝૂર્યા કરે છે. તમે ગર્વિષ્ઠોને ધમકાવો છો, અને તમારી આજ્ઞાઓથી ભટકી જનારા શાપિત છે. તેમની નિંદા અને અપમાનો મારાથી દૂર કરો, કારણ, હું તમારાં સાક્ષ્યવચનોનું પાલન કરું છું. ભ્રષ્ટ શાસકો ભલે મારી વિરુદ્ધ એકત્ર થઈ કાવતરાં ઘડે, તોપણ તમારો આ સેવક તમારા આદેશોનું મનન કરશે. તમારા આદેશો મારો આનંદ છે; તેઓ મારા સલાહકારો છે. હું મૃત્યુને આરે આવી પડયો છું; તમારાં કથન પ્રમાણે મને જીવંત રાખો. મેં મારું આચરણ તમારી સમક્ષ કબૂલ્યું અને તમે મને ઉત્તર આપ્યો; હવે તમારાં ફરમાન મને શીખવો. મને તમારા આદેશોનો અર્થ સમજાવો, એટલે હું તમારાં અજાયબ કાર્યોનું મનન કરીશ. મારો પ્રાણ શોકને લીધે પીગળી જાય છે; તમારા શિક્ષણ પ્રમાણે મને શક્તિ આપો. અસત્યનો માર્ગ મારાથી દૂર રાખો, કૃપા કરી મને તમારો નિયમ શીખવો. મેં સાચો માર્ગ પસંદ કર્યો છે; મેં તમારાં ધારાધોરણો મારી સમક્ષ રાખ્યાં છે. હે પ્રભુ, હું તમારા હુકમોને વળગી રહ્યો છું; મને લજ્જિત થવા દેશો નહિ. હું તમારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ કારણ, તમે મારી સમજ વધારતા જાઓ છો. હે પ્રભુ, મને, તમારાં ફરમાનોનો અર્થ શીખવો, અને હું તેમને અંત સુધી પાળીશ. તમારું નિયમશાસ્ત્ર મને સમજાવો એટલે હું તેનું પાલન કરીશ, મારા સંપૂર્ણ દયથી હું તેને અનુસરીશ. તમારી આજ્ઞાઓના માર્ગમાં મને દોરી જાઓ; કારણ, તેમાં જ મને આનંદ મળે છે. મારા દયને ધનદોલતના લોભ પ્રત્યે નહિ, પરંતુ તમારાં સાક્ષ્યવચનો તરફ વાળો. મારી દષ્ટિ વ્યર્થ મૂર્તિઓ તરફ ફરતી અટકાવો, અને તમારા શિક્ષણ વડે મને જીવન બક્ષો તમારા ભક્તો માટેની તમારી પ્રતિજ્ઞા તમારા આ સેવક માટે પણ પૂર્ણ કરો. તમારાં ધારાધોરણો શ્રેષ્ઠ છે; તે વડે મારાથી ભયજનક અપમાનો દૂર કરો. જુઓ, હું તમારા આદેશોની તીવ્ર અભિલાષા રાખું છું, તમારી ઉદ્ધારક શક્તિથી મને નવું જીવન આપો. હે પ્રભુ, મારા પર તમારો પ્રેમ દર્શાવો, અને તમારા વચન પ્રમાણે મારો ઉદ્ધાર કરો. તેથી હું મારી નિંદા કરનારાઓને જવાબ આપી શકીશ; કારણ, હું તમારા બોધ પર ભરોસો રાખું છું. મારા મુખમાંથી તમારાં સત્ય કથન લઈ ન લો; કારણ, હું તમારાં ધારાધોરણોની આશા રાખું છું. હું સદાસર્વદા તમારો નિયમ નિરંતર પાળીશ. હું સંપૂર્ણ સ્વાતંયમાં જીવન જીવીશ; કારણ, મેં તમારા આદેશો ખંતથી શોયા છે. હું રાજાઓ સમક્ષ તમારાં સાક્ષ્યવચનો પ્રસિદ્ધ કરીશ, અને હું શરમાઈશ નહિ. હું તમારી આજ્ઞાઓથી આનંદ પામું છું; કારણ, હું તેમને સાચા દયથી ચાહું છું. હું હાથ જોડીને તમારી આજ્ઞાઓનું સન્માન કરું છું અને તેમને ચાહું છું; હું તમારા આદેશોનું મનન કરીશ. તમારી જે પ્રતિજ્ઞાથી તમે મને આશા બંધાવી છે, તેને તમારા આ સેવકના હક્કમાં સંભારો. તમારું શિક્ષણ મને નવું જીવન બક્ષે છે; મારી વિપત્તિમાં એ જ મારું સાંત્વન છે. ગર્વિષ્ઠ જનો મારો સતત ઉપહાસ કરે છે, છતાં હું તમારા નિયમથી વિમુખ થયો નથી. જ્યારે હું તમારાં ચિરકાલીન ધારાધોરણો યાદ કરું છું, ત્યારે હે પ્રભુ, મને સાંત્વન મળે છે. તમારા નિયમનો ત્યાગ કરનાર દુષ્ટોને જોઈને મને ઝનૂન ચડે છે. મારી આ જીવનયાત્રામાં તમારાં ફરમાન મારાં ગીત બન્યાં છે. હે પ્રભુ, હું રાત્રે પણ તમારા નામનું સ્મરણ કરું છું, અને તમારા નિયમનું પાલન કરું છું. હું તમારા આદેશો પાળું છું, એ જ મારી દિનચર્યા છે. હે પ્રભુ, તમે મારે માટે વારસાના હિસ્સા જેવા છો; મેં કહ્યું છે તેમ હું તમારાં કથનોનું પાલન કરીશ. હું મારા સંપૂર્ણ દયથી તમારી કૃપા યાચું છું; તમારાં વચન પ્રમાણે મારા પર અનુકંપા દર્શાવો. જ્યારે મેં મારા વર્તન વિષે વિચાર કર્યો, ત્યારે હું તમારાં સાક્ષ્યવચનો પ્રતિ વળ્યો છું. તમારી આજ્ઞાઓ પાળવામાં મેં તત્પરતા દાખવી છે, અને કદી વિલંબ કર્યો નથી. જો કે દુષ્ટોના ફાંદાઓ મને ફસાવે તોપણ હું તમારા નિયમને વીસરતો નથી. તમારા નેક ધારાધોરણોને લીધે હું મધરાતે ઊઠીને તમારો આભાર માનીશ. તમારા આદેશોનું પાલન કરનાર તમારા સર્વ ભક્તોનો હું સાથી છું. હે પ્રભુ, તમારા પ્રેમથી પૃથ્વી ભરપૂર છે; મને તમારાં સાક્ષ્યવચનો શીખવો. હે પ્રભુ, તમારા વચન પ્રમાણે તમે તમારા આ સેવક પર ભલાઈ દર્શાવી છે. મને વિવેકબુદ્ધિ અને જ્ઞાન શીખવો. કારણ, મેં તમારી આજ્ઞાઓ પર ભરોસો રાખ્યો છે. શિક્ષા પામ્યા પહેલાં હું ભટકી ગયો હતો, પરંતુ હવે તમારા શિક્ષણનું પાલન કરું છું. તમે ભલા છો અને ભલાઈ આચરો છો મને તમારાં ફરમાનો શીખવો. ગર્વિષ્ઠો મારા પર જૂઠાં આળ મૂકે છે. પરંતુ હું સંપૂર્ણ દયથી તમારા આદેશો પાળું છું. તેમનાં હૃદયો નિષ્ઠુર અને લાગણીહીન છે, પરંતુ હું તમારા નિયમમાં આનંદ માણું છું. મને પડેલું દુ:ખ મારે માટે ગુણકારક થઈ પડયું; તેથી હું તમારાં ફરમાનો શીખ્યો. સોનાચાંદીના લાખો સિકાકાઓ કરતાં તમારા મુખે પ્રગટેલો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે. તમારા જ હાથોએ મને સર્જીને ધરી રાખ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજ આપો. તમારા ભક્તો મને જોઈને આનંદિત થશે; કારણ, મેં તમારા શિક્ષણ પર ભરોસો રાખ્યો છે. હે પ્રભુ, તમારા ચુકાદા અદલ છે; હું જાણું છું કે તમારા વિશ્વાસુપણામાં જ તમે મને દુ:ખી કર્યો છે. તમારા આ સેવકને આપેલા તમારા વચન પ્રમાણે તમારો પ્રેમ મને સાંત્વન પમાડો. હું જીવતો રહું તે માટે મારા પર તમારી દયા દર્શાવો; કારણ, તમારા નિયમમાં જ હું આનંદ માણું છું. મારા પર જૂઠા આરોપો મૂકનાર ગર્વિષ્ઠો લજ્જિત બનો, પરંતુ હું તમારા આદેશોનું મનન કરીશ. તમારા ભક્તો મારા પ્રતિ ફરો, જેથી તેઓ તમારા આદેશો જાણી શકે. હું તમારાં ફરમાનો સંપૂર્ણ દયથી પાળીશ; જેથી મારે શરમાવું ન પડે. તમારા ઉદ્ધાર માટે મારો પ્રાણ ઝૂરે છે; હું તમારા બોધની આશા રાખું છું. “તમે મને ક્યારે સાંત્વન દેશો?” એમ કહેતાં કહેતાં મારી આંખોય તમારા વચનની પ્રતીક્ષામાં ઝાંખી પડી છે. હું ધૂમાડાથી બગડેલી મશક જેવો બિનઉપયોગી બન્યો છું છતાં હું તમારાં ફરમાનો વિસરતો નથી. તમારા આ સેવકના આયુષ્યના કેટલા દિવસો શેષ છે? મને સતાવનારાઓને તમે ક્યારે સજા કરશો? તમારા નિયમનો અનાદર કરનાર ગર્વિષ્ઠોએ મને સપડાવવા ખાડા ખોદ્યા છે. તમારી સર્વ આજ્ઞાઓ વિશ્વાસનીય છે; પણ જૂઠાણાં વડે તેઓ મને સતાવે છે, માટે મને સહાય કરો. તેમણે મને પૃથ્વી પરથી લગભગ નષ્ટપ્રાય કરી દીધો હતો; તો પણ મેં તમારા આદેશોનો ત્યાગ કર્યો નથી. તમારા અવિચળ પ્રેમને લીધે મારા જીવનનું રક્ષણ કરો; જેથી હું તમારા મુખનાં સાક્ષ્યવચનો પાળી શકું. હે પ્રભુ, તમારો સંદેશ સર્વકાલીન છે; તે આકાશમાં અચળ છે. તમે તમારા લોક પ્રત્યે પેઢી દર પેઢી વિશ્વાસુ રહો છો. તમે પૃથ્વીને તેની ભ્રમણકક્ષામાં સ્થાપી છે અને તેમાં તે જળવાઈ રહે છે. તમારા ક્રમ પ્રમાણે સૃષ્ટિ આજ દિન સુધી ટકી રહી છે; કારણ, તે તમને આજ્ઞાધીન છે. મેં તમારા નિયમમાં આનંદ માણ્યો ન હોત, તો હું સતાવણીમાં જ મૃત્યુ પામ્યો હોત. હું તમારા આદેશો કદી વીસરીશ નહિ; કારણ, તેમના દ્વારા તમે મને જીવતો રાખ્યો છે. હું તમારો જ છું, મને ઉગારો; મેં તમારા આદેશો અનુસરવાનો યત્ન કર્યો છે. દુષ્ટો મારો નાશ કરવા લાગ શોધે છે, પરંતુ હું તમારાં સાક્ષ્યવચનોનું પાલન કરીશ. મેં જોયું છે કે સર્વ બાબતોને સીમા હોય છે, પરંતુ તમારી આજ્ઞાઓ અસીમ છે. હું તમારા નિયમશાસ્ત્ર પર કેટલો પ્રેમ રાખું છું! આખો દિવસ હું તેનું જ મનન કરું છું. તમારી આજ્ઞાઓ સદા મારી સાથે છે; તે મને મારા શત્રુઓ કરતાં વિશેષ જ્ઞાની બનાવે છે. હું તમારાં સાક્ષ્યવચનોનું અયયન કરું છું, તેથી મારા સર્વ શિક્ષકો કરતાં મારામાં વધુ સમજ છે. હું તમારા આદેશો પાળું છું. તેથી વૃદ્ધો કરતાં હું વિશેષ સમજુ છું. હું તમારું શિક્ષણ પાળવા ચાહું છું; તેથી મારા પગને પ્રત્યેક ભૂંડા માર્ગથી દૂર રાખું છું. તમે પોતે જ મારા શિક્ષક છો, તેથી મેં તમારાં ધારાધોરણોનો ત્યાગ કર્યો નથી. મારી રુચિને તમારા શબ્દો કેટલા મીઠા લાગે છે! તે મારી જીભને મધ કરતાં વધુ મીઠા લાગે છે. તમારા આદેશોથી મને સમજણ મળે છે; તેથી હું પ્રત્યેક જૂઠા માર્ગને ધિક્કારું છું. તમારો બોધ મારા પગ માટે માર્ગદર્શક દીવો છે; તે મારો માર્ગ અજવાળનાર પ્રકાશ છે. તમારાં નેક ધારાધોરણ અનુસરવા મેં ગંભીર પ્રતિજ્ઞા લીધી છે; તે પાળવા હું ખંતથી યત્ન કરીશ. મારા પર ભારે અત્યાચાર થઈ રહ્યો છે; માટે હે પ્રભુ, તમારા આપેલા વચન પ્રમાણે મને જીવંત રાખો. હે પ્રભુ, સ્વેચ્છાપૂર્વક અપાયેલ મારા મુખનાં સ્તુત્યાર્પણ સ્વીકારો, અને તમારાં ધારાધોરણ મને શીખવો. હું સદા જોખમનો સામનો કરું છું, છતાં તમારા નિયમને વીસરતો નથી. દુષ્ટોએ મારે માટે જાળ બિછાવી છે; પરંતુ હું તમારા આદેશોથી ભટકી ગયો નથી. તમારા આદેશો મારો સાર્વકાલિક વારસો છે; તે મારા દયને આનંદ આપે છે. તમારા આદેશો પાળવા તરફ મેં મારું મન વાળ્યું છે; તેઓ તો સદાનો અફર પુરસ્કાર છે. હું બેવડું બોલનારને ધિક્કારું છું; પરંતુ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું. તમે મારા આશ્રય અને સંરક્ષક ઢાલ છો; હું તમારું કથન પૂર્ણ થવાની આશા રાખું છું હે દુરાચારીઓ, મારાથી દૂર હટો; જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળી શકું. હું જીવતો રહું માટે મને તમારા વચન પ્રમાણે આધાર આપો; ઉદ્ધાર માટેની મારી આશા વિષે મને નિરાશ કરશો નહિ. મને ટેકો આપો, જેથી હું સલામત રહું; હું તમારાં ફરમાનો પર સતત ધ્યાન દઈશ. તમારાં ફરમાનોથી ભટકી જનારને તમે ધિક્કારો છો; કારણ, કપટી યોજનાઓથી તેઓ જૂઠને ઢાંકે છે. તમારી દષ્ટિમાં પૃથ્વીના બધા દુષ્ટો કચરા સમાન છે, તેથી હું તમારા આદેશો પર પ્રેમ રાખું છું. તમારી ધાકધમકીથી મારું શરીર થરથરે છે, અને તમારા ચુકાદાથી હું ડરું છું. મેં ઇન્સાફ અને નેકીનાં કાર્યો કર્યાં છે; તેથી મને જુલમગારોના કબજામાં તજી દેશો નહિ. તમારા આ સેવકના કલ્યાણ માટે તેમના જામીન બનો, અને ગર્વિષ્ઠોને મારા પર જુલમ કરવા ન દો. તમારા ઉદ્ધારની અને તમારું વચન પૂર્ણ થવાની પ્રતીક્ષામાં મારી આંખોય ઝાંખી પડી છે. તમારા આ સેવક સાથે તમારા પ્રેમ પ્રમાણે વર્તો, તમારાં ફરમાન મને શીખવો. હું તમારો સેવક છું; મને સમજ આપો; જેથી હું તમારા આદેશો સમજી શકું. હે પ્રભુ, તમારે કાર્યશીલ થવાનો આ સમય છે; કારણ, લોકો તમારો નિયમ પાળતા નથી. હે ઈશ્વર, સુવર્ણ અને શુદ્ધ સુવર્ણ કરતાં તમારી આજ્ઞાઓ પર હું અધિક પ્રેમ રાખું છું. તેથી હું તમારા સર્વ આદેશો અનુસરું છું, અને હું જૂઠા માર્ગોને ધિક્કારું છું. તમારાં સાક્ષ્યવચનો અદ્‍ભુત છે; તેથી હું તેમને અનુસરું છું. તમારા શિક્ષણની સમજૂતી પ્રકાશ આપે છે; તે અબુધને સમજણ આપે છે. તમારી આજ્ઞાઓની તીવ્ર અભિલાષામાં હું ઉઘાડે મુખે તલપું છું. તમારા નામ પર પ્રેમ રાખનાર સાથે તમે જે રીતે વર્તો છો તેમ તમે મારા તરફ ફરો અને મારા પર કૃપા કરો. તમારા વચન વડે મારાં પગલાં સ્થિર કરો, અને કોઈ દુરાચારને મારા પર અધિકાર ભોગવવા ન દો. માણસોના જુલમથી મને ઉગારો; જેથી હું તમારા આદેશો પાળી શકું. તમારા આ સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારાં ફરમાનો મને શીખવો. માણસો તમારા નિયમ પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે. હે પ્રભુ, તમે ન્યાયી છો; તમારા ચુકાદા સાચા છે. જે સાક્ષ્યવચનો તમે ફરમાવ્યાં છે તે યથાર્થ અને સંપૂર્ણ વિશ્વસનીય છે. મારા શત્રુઓ તમારું શિક્ષણ વીસરી ગયા છે, તેથી ઝનૂનની જલન મને ખાક કરે છે. તમારાં વચનો સંપૂર્ણ રીતે પરખાયેલાં છે. તમારો આ સેવક તેમના પર પ્રેમ રાખે છે. હું વિસાત વિનાનો અને ધિક્કાર પામેલો છું; છતાં હું તમારા આદેશો ભૂલી જતો નથી. તમારી નેકી સાર્વકાલિક છે; તમારો નિયમ સત્ય છે. જો કે સંકટ અને વેદનાથી હું વ્યથિત છું, છતાં તમારી આજ્ઞાઓમાં આનંદ પામું છું, તમારાં સાક્ષ્યવચનો સર્વકાળ ન્યાયયુક્ત છે; મને સમજ આપો; જેથી હું જીવતો રહું. હું સંપૂર્ણ દયથી તમને પોકારું છું; હે પ્રભુ, મને ઉત્તર આપો; હું તમારાં ફરમાનો પાળીશ. હું તમને પોકારું છું, મને ઉગારો; એટલે, હું તમારા આદેશો પાળીશ. પ્રભાત થયા પહેલાં ઊઠીને મેં તમને અરજ કરી; કારણ, હું તમારું કથન પૂર્ણ થવાની આશા રાખું છું. રાત્રિના પ્રહરોમાં પણ મારી આંખો તમારા આદેશોનું મનન કરવા જાગી જાય છે. તમારા પ્રેમને લીધે મારો સાદ સાંભળો; હે પ્રભુ, તમારા ન્યાયસંગત ચુકાદાથી મને જીવન બક્ષો. મારો પીછો કરનાર કપટી જુલમગારો મારી નજીક આવી ગયા છે; પણ તેઓ તો તમારા નિયમથી ઘણા દૂર છે. પરંતુ, હે પ્રભુ, તમે નિકટ છો; તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે. દીર્ઘ સમયથી તમારાં સાક્ષ્યવચનો વિષે જાણ્યું છે કે, તમે તેમને સર્વકાળને માટે સ્થાપ્યાં છે. હું કેટલો જુલમ વેઠું છું તે જુઓ, અને મને છોડાવો; કારણ, હું તમારો નિયમ વીસરતો નથી. મારા પક્ષની હિમાયત કરો ને મને સજા પામવાથી બચાવો, તમારા વચન પ્રમાણે મને જીવંત રાખો. દુષ્ટોનો બચાવ કરશો નહિ; કારણ, તેઓ તમારા આદેશો અનુસરતા નથી. હે પ્રભુ, તમારી દયા મહાન છે; તમારા ન્યાયસંગત ચુકાદાથી મને જીવન બક્ષો. મારા પર જુલમ કરનારા અને મારા શત્રુઓ અનેક છે; પરંતુ હું તમારાં સાક્ષ્યવચનોથી ચલિત થતો નથી. તમને બેવફા થનાર લોકોને જોઈને મને ઘૃણા ઊપજે છે; કારણ, તેઓ તમારી આજ્ઞાઓ પાળતા નથી. હું તમારા આદેશો પર કેટલો પ્રેમ રાખું છું તે ધ્યાનમાં લો; હે પ્રભુ, તમારા પ્રેમને લીધે મને જીવંત રાખો. તમારું સમગ્ર શિક્ષણ સત્ય છે; તમારા સર્વ અદલ ચુકાદા શાશ્વત છે. સત્તાધીશો મારા પર વિનાકારણ જુલ મ કરે છે, પરંતુ મને તમારા શિક્ષણ સિવાય બીજા કશાની બીક નથી. કીમતી ખજાનો પ્રાપ્ત કરનાર માણસની જેમ, હું તમારા વચનથી હર્ષ પામું છું. હું જૂઠનો તિરસ્કાર કરું છું અને તેનાથી કંટાળુ છું; પરંતુ તમારા નિયમ પર હું પ્રેમ રાખું છું. તમારા અદલ ચુકાદાઓને લીધે હું દિવસમાં સાત વાર તમારી સ્તુતિ કરું છું. તમારા નિયમ પર પ્રેમ રાખનારનું સંપૂર્ણ કલ્યાણ થાય છે; તેમને ઠોકર ખાવાને કોઈ કારણ નથી. હે પ્રભુ, તમે મારો ઉદ્ધાર કરો એવી આશા રાખું છું અને તમારી આજ્ઞાઓ પાળું છું. હું તમારાં સાક્ષ્યવચનો પાળું છું, અને હું તેમના પર અત્યંત પ્રેમ કરું છું. હું તમારા આદેશો તથા તમારી આજ્ઞાઓ પાળું છું; મારું સમગ્ર આચરણ તમારી સમક્ષ ખુલ્લું છે. હે પ્રભુ, મારો આર્તનાદ તમારી સમક્ષ આવવા દો; તમારા શિક્ષણ અનુસાર મને સમજ આપો. મારી અરજ તમારી સન્મુખ પહોંચવા દો; તમે આપેલ વચન પ્રમાણે મને છોડાવો. મારા હોઠ તમારી સ્તુતિ ઉચ્ચારો; કારણ તમે મને તમારાં ફરમાનો શીખવો છો. મારી જીભ તમારા વચન વિષે ગાશે; તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે. તમારો ભુજ મારી સહાય કરવા તત્પર રહે! કારણ, મેં તમારા આદેશો પાળવાનું પસંદ કર્યું છે. હે પ્રભુ, હું તમારા ઉદ્ધારની અભિલાષા રાખું છું; તમારો નિયમ મારો આનંદ છે. મને જીવંત રાખો, એટલે હું તમારી સ્તુતિ કરીશ; અને તમારાં સાક્ષ્યવચનો મારી સહાય કરો. જો હું ભૂલાં પડેલાં ઘેટાંની જેમ ભટકી જાઉં; તો તમે તમારા આ સેવકને શોધી કાઢજો; કારણ, હું તમારી આજ્ઞાઓ વીસરી ગયો નથી. (આરોહણનું ગીત) મારા સંકટમાં મેં પ્રભુને પોકાર કર્યો, અને તેમણે મને ઉત્તર આપ્યો. “હે પ્રભુ, જૂઠા હોઠોવાળા અને કપટી જીભના લોકોથી મારા જીવને બચાવો.” હે કપટી જીભ, ઈશ્વર તને કેવી સજા કરશે? તે તારા કેવા હાલ કરશે? યોદ્ધાઓનાં તીક્ષ્ણ તીરોથી અને ધગધગતા અંગારાથી તને સજા થશે. અરેરે, તેમની મધ્યે વસવું એ તો મારે માટે મેશેખમાં દેશનિકાલ થવા જેવું અથવા કેદારના તંબૂઓમાં વસવા બરાબર છે. હું તો શાંતિના દ્વેષકો મધ્યે લાંબો સમય રહીને કંટાળી ગયો છું. હું શાંતિ ચાહું છું; પરંતુ હું તે વિષે બોલું, ત્યારે તેઓ લડાઈ કરવા માંગે છે! (આરોહણનું ગીત) હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું; મને ક્યાંથી સહાય મળશે? આકાશ અને પૃથ્વીના સર્જનહાર પ્રભુ પાસેથી જ મને સહાય મળશે. તે તારા પગને ડગવા દેશે નહિ; તારા રક્ષક સદા જાગ્રત છે. ઇઝરાયલી લોકના રક્ષક ઈશ્વર કદી ઊંઘતા નથી કે નિદ્રાધીન થતા નથી. પ્રભુ તારા સંરક્ષક છે; પ્રભુ તારે જમણે હાથે તને છાયા કરશે. દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને હાનિ પહોંચાડશે નહિ. પ્રભુ સર્વ જોખમથી તારું રક્ષણ કરશે. તે તારા પ્રાણની રક્ષા કરશે. તું બહાર જાય કે ઘેર પાછો ફરે ત્યારે પ્રભુ તને સાચવશે; હમણાંથી સર્વકાળ સુધી પ્રભુ તારું રક્ષણ કરશે. (આરોહણનું ગીત, દાવિદનું) જ્યારે મિત્રોએ મને કહ્યું, “ચાલો, આપણે પ્રભુના મંદિરે જઈએ,” ત્યારે મને ઘણો આનંદ થયો. હે યરુશાલેમ, હવે અમે તારા પ્રવેશદ્વારોમાં ઊભા છીએ. યરુશાલેમ નગર તો સુંદર, સુવ્યવસ્થિત અને સુગઠિત રીતે બંધાયેલું છે. અહીં વિભિન્‍ન કુળો યાત્રા કરવા આવે છે; એટલે, યાહનાં કુળો તેમના આદેશ મુજબ તેમના નામનો આભાર માનવા આવે છે. અહીં ઇઝરાયલના દાવિદવંશી રાજવીઓ રાજ્યાસન પર બિરાજતા, અને નેકીપૂર્વક રાજ કરતા. યરુશાલેમની આબાદી માટે પ્રાર્થના કરો; “હે યરુશાલેમ, તારા પર પ્રેમ કરનાર સમૃદ્ધ બનો.” તારા કોટની અંદર સલામતી અને તારા મહેલોમાં સમૃદ્ધિ વસો. મારા ભાઈઓ અને મિત્રો માટેની લાગણી ખાતર હું યરુશાલેમને કહીશ, “તારામાં શાંતિ થાઓ.” આપણા ઈશ્વર પ્રભુના મંદિરને હું ચાહું છું; તેથી હું તારા કલ્યાણ માટે પ્રાર્થના કરીશ. (આરોહણનું ગીત) હે સ્વર્ગમાં રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વર, તમારા તરફ હું મારી આંખો પ્રાર્થનામાં ઊંચી કરું છું. જેમ દાસની આંખો પોતાના માલિકના હાથ તરફ અને દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ મંડાયેલ હોય છે; તેમ પ્રભુ અમારા પર કૃપા ન કરે ત્યાં સુધી અમારી મીટ અમારા ઈશ્વર પર મંડાયેલી રહે છે. હે પ્રભુ, અમારા પર દયા કરો; અમારા પર દયા કરો. કારણ, લોકોનો તિરસ્કાર વેઠીને અમે ત્રાસી ગયા છીએ. ધનવાનોનો ઉપહાસ અને ગર્વિષ્ઠોનો તિરસ્કાર વેઠી વેઠીને અમારા પ્રાણ તદ્દન ત્રાસી ગયા છે. (આરોહણનું ગીત; દાવિદનું) ઇઝરાયલના લોક કબૂલાત કરો કે, “જો પ્રભુ અમારી પડખે ન હોત; અમારા શત્રુઓએ અમારા પર આક્રમણ કર્યું, ત્યારે પ્રભુ જો અમારી પડખે ન હોત, તો અમારા પર શત્રુઓનો ક્રોધ ભભૂકી ઊઠયો ત્યારે તેઓ અમને જીવતા ગળી ગયા હોત. ત્યારે પાણીનાં પૂર અમને ઘસડી ગયાં હોત અને વેગીલો જલપ્રવાહ અમારી ઉપર ફરી વળ્યો હોત. અને તોફાની મોજાંએ અમને ડુબાડી દીધા હોત.” પ્રભુને ધન્ય હો! તેમણે અમને અમારા શત્રુઓના દાંતના શિકાર થવા દીધા નથી. પારધીની જાળમાંથી છટકી જતા પક્ષીની જેમ અમારા જીવ બચી ગયા; જાળ તૂટી ગઈ અને અમે મુક્ત થઈ ગયા. અમારી સહાય કરનારનું નામ યાહવે છે; તે આકાશ તથા પૃથ્વીના સર્જનહાર છે. (આરોહણનું ગીત) પ્રભુ પર ભરોસો રાખનારા સિયોન પર્વત સમાન છે; એ તો કદી ખસેડી શકાય નહિ એવો અચળ પર્વત છે. જેમ યરુશાલેમની ચારે તરફ આવેલા પર્વતોથી તેનું રક્ષણ થાય છે, તેમ હમણાંથી સર્વકાળ સુધી પ્રભુ પોતાના ભક્તોને ચારે બાજુએ રક્ષે છે. નેકજનોના ફાળે આવેલ ભૂમિમાં, દુષ્ટ શાસકો સદા રાજ કરશે નહિ; નહિ તો કદાચ નેકજનો પણ અન્યાય કરવા લલચાય. હે પ્રભુ, ભલા માણસોનું તથા સરળ જનોનું ભલું કરજો. જ્યારે તમે દુષ્ટોને શિક્ષા કરો, ત્યારે તમારા માર્ગનો ત્યાગ કરનાર સૌને પણ શિક્ષા કરજો. ઇઝરાયલના લોકનું કલ્યાણ થાઓ! (આરોહણનું ગીત) જ્યારે પ્રભુ અમને દેશનિકાલમાંથી સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે તો અમે સ્વપ્ન જોતા હોઈએ એવું લાગ્યું. અમારા મુખ પર હાસ્ય ઊભરાતું હતું; અમારી જીભ આનંદપૂર્વક જયજયકાર કરતી હતી. ત્યારે બીજા દેશોએ એકબીજાને અમારે વિષે કહ્યું, “પ્રભુએ પોતાના લોક માટે મહાન કાર્યો કર્યાં છે.” પ્રભુએ સાચે જ અમારે માટે મહાન કાર્યો કર્યાં હતાં, અને તેથી અમે અત્યંત આનંદમાં આવી ગયા હતા. જેમ નેગેવના રણપ્રદેશમાં વરસાદ સુકાં ઝરણામાં પાણી લાવે છે, તેમ હે પ્રભુ, તમે અમને દેશનિકાલમાંથી પાછા લાવ્યા છો. અલબત્ત, આંસુ સારતાં સારતાં વાવનારા જયજયકાર સહિત લણે છે. ઝોળીમાં મૂઠીભર બી લઈને વાવણી માટે રડતાં રડતાં જનારા કાપણી વખતે ધાન્યના પૂળા લઈને ઈશ્વરનો જયજયકાર કરતાં કરતાં ઘેર પાછા આવશે. (આરોહણનું ગીત: શલોમોનનું) જો પ્રભુ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો પરિશ્રમ મિથ્યા છે; જો પ્રભુ નગરનું રક્ષણ ન કરે; તો ચોકીદારનો પહેરો ભરવો વ્યર્થ છે. તમારું વહેલા ઊઠવું અને મોડા સૂવું અને ખોરાક માટે કઠોર પરિશ્રમ કરવો એ પણ વ્યર્થ છે. કારણ, ઈશ્વર પોતાનાં પ્રિયજનોની તેઓ ઊંઘતા હોય તો પણ તેમની દરકાર લે છે. બાળકો તો પ્રભુ તરફથી મળેલો વારસો છે; સંતાનો તો તેમના તરફથી મળેલું પ્રતિદાન છે. યુવાવસ્થામાં જન્મેલ પુત્રો યોદ્ધાના હાથમાંના તીર જેવા છે. જેનો ભાથો આવા પુત્રોથી ભરેલો છે તેને ધન્ય છે. જ્યારે તે નગરસભામાં પોતાના શત્રુઓ સાથે વિવાદમાં ઊતરશે, ત્યારે તે પરાજયથી લજ્જિત થશે નહિ. (આરોહણનું ગીત) પ્રભુનો આદરયુક્ત ડર રાખનારને અને તેમના માર્ગમાં ચાલનારને ધન્ય છે. તું તારા હાથના પરિશ્રમનાં ફળ ખાશે; તું સુખી થશે, તારું કલ્યાણ થશે. તારા ઘરની અંદર તારી પત્ની ફળવંત દ્રાક્ષવેલા સમાન થશે. જેમ ઓલિવવૃક્ષ પર ઘણાં ફળ થાય છે, તેમ ભોજન સમયે તારી આસપાસ તારા ઘણાં સંતાન હશે. પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર એવી આશિષ અપાશે. પ્રભુ પોતાના નિવાસ સિયોનમાંથી તને આશિષ આપો. તું તારા આયુષ્યના સર્વ દિવસો દરમ્યાન યરુશાલેમની આબાદી જોવા પામશે; અને તું તારાં સંતાનોનાં સંતાન જોશે; ઇઝરાયલી લોકનું કલ્યાણ થાઓ! (આરોહણનું ગીત) ‘શત્રુઓએ બાળપણથી જ મારા પર અત્યંત જુલમ કર્યો છે,’ એમ ઇઝરાયેલના લોક કહો; ‘શત્રુઓએ બાળપણથી મારા પર અત્યંત જુલમ કર્યો છે, છતાં તેઓ મને નષ્ટ કરી શક્યા નથી. જેમ કોઈ હળથી ખેતરમાં લાંબા ચાસ પાડે તેમ તેમણે મારી પીઠ પર ફટકાના ઊંડા ઘા પાડયા.’ પરંતુ પ્રભુ ન્યાયી છે; તે દુષ્ટોની ઝૂંસરી ભાંગી નાખશે. સિયોન પર દ્વેષ રાખનારા સર્વ પરાજયથી લજ્જિત બની પાછા હઠશે. તેઓ ધાબા પર ઊગતા ઘાસના જેવા થાઓ, જે પૂરેપૂરું વયા પહેલાં કરમાઈ જાય છે; તેનાથી ઘાસ કાપનારની મુઠ્ઠી કે પૂળા બાંધનારની બાથ ભરાતી નથી. એવા ઘાસની કાપણી કરનારને રાહદારીઓ “પ્રભુની આશિષ તમારા પર ઊતરો,” એવી શુભેચ્છા પાઠવતા નથી, અને એ કાપણી કરનારા પણ પ્રત્યુત્તરમાં “અમે ય તમને યાહવેને નામે આશિષ આપીએ છીએ,” એવું કહેતા નથી. (આરોહણનું ગીત) હે પ્રભુ, નિરાશાનાં ઊંડાણોમાંથી હું તમને પોકારું છું. હે પ્રભુ, મારો સાદ સાંભળો; દયા માટેની મારી યાચના પ્રત્યે તમારા કાન દો. હે યાહ, જો તમે અમારાં પાપો ધ્યાનમાં રાખો. તો પ્રભુ તમારી સમક્ષ કોણ ઊભું રહી શકે? પરંતુ તમે ક્ષમા આપનાર ઈશ્વર છો; તેથી તમારો ડર રહે છે. હું પ્રભુની પ્રતીક્ષા કરું છું, મારો પ્રાણ પ્રતીક્ષા કરે છે; હું તેમનું વચન પૂર્ણ થવાની આશા રાખું છું. પ્રભાતની વાટ જોતા ચોકીદાર કરતાં, પ્રભાતની આતુરતાપૂર્વક વાટ જોતા ચોકીદાર કરતાં મારો પ્રાણ પ્રભુની વધારે પ્રતીક્ષા કરે છે. હે ઇઝરાયલના લોક, પ્રભુ પર ભરોસો રાખો. કારણ, તેમનો પ્રેમ અવિચળ છે અને તે નિરંતર તમારો ઉદ્ધાર કરવા સમર્થ છે. એકમાત્ર તે જ ઇઝરાયલી લોકને તેમનાં સર્વ પાપમાંથી ઉગારશે. (આરોહણનું ગીત) હે પ્રભુ, ન મારા હૃદયમાં અહંકાર છે, ન મારી આંખોમાં ઘમંડ. મારી પહોંચની બહાર એવી મહાન સિદ્ધિઓ પર હું મન લગાડતો નથી કે અજાયબીઓ પાછળ હું લક્ષ આપતો નથી. મેં મારો પ્રાણ સ્વસ્થ અને શાંત કર્યો છે; સ્તનપાન કરતાં કરતાં માની ગોદમાં શાંતિથી પડેલા એક બાળકની જેમ મારો પ્રાણ નિશ્ર્વિંત બન્યો છે. હે ઇઝરાયલ, આજથી સર્વકાળ સુધી પ્રભુની જ આશા રાખજે. (આરોહણનું ગીત) હે પ્રભુ, દાવિદને અને તેણે વેઠેલ દુ:ખોને તેના હિતમાં તમે સંભારો. તેણે તો પ્રભુ સમક્ષ શપથ લીધા તથા આપણા પૂર્વજ યાકોબના સમર્થ ઈશ્વરની આગળ આવી માનતા માની: “જ્યાં સુધી હું પ્રભુના નિવાસસ્થાન માટે એટલે યાકોબના સમર્થ ઈશ્વરના વસવાટ માટે જગા ન શોધું ત્યાં સુધી હું મહેલના છત્રમાં પ્રવેશીશ નહિ, અને મારા શાહી પલંગ પર સૂઈશ નહિ. મારી આંખોને ઊંઘ અને મારાં પોપચાંને નિંદ્રા લેવા દઈશ નહિ.” *** *** અમે એફ્રાથા પાસે કરારપેટી વિષે સાંભળ્યું, અને યાઅરના પ્રદેશમાં અમને તે મળી આવી. અમે કહ્યું, “ચાલો, ઈશ્વરના નિવાસસ્થાનમાં જઈએ અને તેમના પાયાસન સમક્ષ તેમની ભક્તિ કરીએ.” હે પ્રભુ, ઊઠો, તમારા સામર્થ્યના પ્રતીક્સમ કરારપેટી સાથે તમારા વિશ્રામસ્થાનમાં આવો. તમારા યજ્ઞકારો નેકીરૂપી પોષાકથી વિભૂષિત બનો, અને તમારા સંતો તમારો જયજયકાર કરો. તમારા સેવક દાવિદને ખાતર તમે તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર કરશો નહિ. હે પ્રભુ, તમે દાવિદ સાથે સત્યપ્રતિજ્ઞા કરી: “હું તારા પુત્રોમાંથી એકને રાજા બનાવીશ, તે તારા પછી રાજ્ય કરશે; જો તારો પુત્ર મારો કરાર પાળશે અને હું શીખવું તે આદેશોનું પાલન કરશે, તો તેના વંશજો પણ સદાસર્વદા તારા રાજ્યાસન પર બિરાજશે.” ઈશ્વર એ પ્રતિજ્ઞા તોડશે નહિ. *** પ્રભુએ સિયોનનગરને પસંદ કર્યું છે, અને તેને પોતાનું નિવાસસ્થાન બનાવવા ઇચ્છયું છે. “આ મારું સદાનું વિશ્રામસ્થાન છે; અહીં હું વાસ કરીશ; કારણ, એ મારી ઇચ્છા છે.” હું નિશ્ર્વે તેની ઊપજને અપાર આશિષ આપીશ; હું તેના કંગાલોને આહારથી તૃપ્ત કરીશ. હું તેના યજ્ઞકારોને ઉદ્ધારરૂપી પોષાકથી વિભૂષિત કરીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે. ત્યાં સિયોનમાં, હું દાવિદના રાજવંશને સત્તારૂઢ કરીશ; હું મારા અભિષિક્ત રાજાનો વંશરૂપી દીપક સળગતો રાખીશ. તેના શત્રુઓને હું પરાજયની લજ્જાથી ઢાંકી દઈશ; પરંતુ રાજાનો મુગટ તેના મસ્તક પર ઝળહળતો રહેશે. (આરોહણનું ગીત: દાવિદનું) પ્રભુના લોક એક્તામાં રહે તે કેવું ઉત્તમ અને આનંદદાયક છે! એવી એક્તા તો આરોનના શિરથી દાઢી પર, અને દાઢી પરથી તેના ઝભ્ભાના કોલર પર ઊતરતા અભિષેકના તેલ જેવી મૂલ્યવાન છે. એવી એક્તા તો હેર્મોન પર્વત પરથી સિયોનની ટેકરીઓ પર પડતા ઝાકળ જેવી છે. પ્રભુ આશીર્વાદ એટલે સાર્વકાલિક જીવન ત્યાં સિયોનમાં જ પ્રદાન કરે છે. યજ્ઞકારોને સ્તુતિ માટે આવાહન પ્રભુના મંદિરમાં દર રાત્રે ઊભા રહીને સેવા ભક્તિ કરનારા હે પ્રભુના સેવકો, તમે સૌ પ્રભુને ધન્ય કહો! પવિત્રસ્થાન તરફ આરાધનામાં તમારા હાથ ઊંચા કરો, અને પ્રભુને ધન્ય કહો! આકાશ અને પૃથ્વીના સર્જનહાર પ્રભુ તમને સિયોનમાંથી આશિષ આપો. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! પ્રભુના નામની સ્તુતિ કરો! હે પ્રભુના સેવકો, તમે તેમની સ્તુતિ કરો! પ્રભુના ઘરમાં, એટલે, આપણા ઈશ્વરના મંદિરના આંગણામાં ઊભા રહી ભક્તિ કરનારા સેવકો, તમે તેમની સ્તુતિ કરો! યાહની સ્તુતિ કરો: કારણ, તે ભલા છે; તેમના નામનાં ગીતો ગીઓ; કારણ, તેમ કરવું આનંદદાયક છે. યાહે આપણા પૂર્વજ યાકોબને પોતાને માટે અને ઇઝરાયલ લોકને પોતાની ખાસ સંપત્તિ તરીકે પસંદ કર્યા. હું પોતે જાણું છું કે પ્રભુ મહાન છે. તે સર્વ દેવો કરતાં મહાન છે. આકાશોમાં અને પૃથ્વી ઉપર, સમુદ્રોમાં અને નીચેનાં સર્વ ઊંડાણોમાં પ્રભુ પોતાને જે પસંદ પડે તે કરે છે. પૃથ્વીને છેડેથી તે વાદળોને ઉપર ચઢાવે છે, અને તે વર્ષાને માટે વીજળી ચમકાવે છે તથા પોતાની વખારોમાંથી પવનને બહાર લાવે છે. ઈશ્વરે ઇજિપ્તમાં, ઇજિપ્તીઓના અને તેમનાં પશુઓના પ્રથમજનિતોનો સંહાર કર્યો. તેમણે ઇજિપ્તમાં ફેરો અને તેના સર્વ સેવકો વિરુદ્ધ અજાયબ કાર્યો અને ચમત્કારો કર્યાં. તેમણે ઘણા દેશોને નષ્ટ કર્યા અને શક્તિશાળી રાજાઓને મારી નાખ્યા; એટલે અમોરીઓના રાજા સિહોનને, બાશાનના રાજા ઓગને તથા કનાનના સર્વ રાજાઓને તેમણે માર્યા. ઈશ્વરે તેમની ભૂમિ પોતાના ઇઝરાયલી લોકને વારસા તરીકે આપી. હે યાહવે, તમારું નામ સાર્વકાલિક છે; તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકે છે. સાચે જ પ્રભુ પોતાના લોકનો બચાવ કરે છે; અને પોતાના ભક્તો પ્રત્યે દયા દર્શાવે છે. અન્ય દેશોના દેવો તો સોનાચાંદીની મૂર્તિઓ છે; તેઓ માનવી હાથોથી ઘડાયેલી છે. તેમને મુખ છે, પણ તે બોલી શક્તી નથી; આંખો છે, પણ જોઈ શક્તી નથી; તેમને કાન છે, પણ તે સાંભળી શક્તી નથી; અને તેમના મુખમાં શ્વાસોચ્છવાસ પણ નથી. તેમને ઘડનારા તેમ જ તેમના પર ભરોસો રાખનારા સર્વ હાથે ઘડેલી મૂર્તિઓ જેવા વ્યર્થ થશે. હે ઇઝરાયલના લોકો, પ્રભુને ધન્ય કહો! હે આરોનવંશી યજ્ઞકારો, પ્રભુને ધન્ય કહો! હે લેવી કુળના લોકો, પ્રભુને ધન્ય કહો! હે પ્રભુના સર્વ ભક્તો, પ્રભુને ધન્ય કહો! યરુશાલેમમાં વસનાર પ્રભુને સિયોનનગરમાંથી ધન્ય કહો! યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! આભારસ્તુતિ પ્રભુની આભારસ્તુતિ કરો; કારણ, તે ભલા છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. દેવાધિદેવ ઈશ્વરની આભારસ્તુતિ કરો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. પ્રભુઓના પ્રભુની આભારસ્તુતિ કરો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. એકલા તે જ મહાન અને અજાયબ કાર્યો કરે છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. તેમણે પોતાના જ્ઞાનથી આકાશો સર્જ્યાં છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. તેમણે ઊંડી જળરાશિ પર પૃથ્વીને સ્થાપી છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. તેમણે મહાન જ્યોતિઓ એટલે સૂર્ય અને ચંદ્ર સર્જ્યાં; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. તેમણે દિવસને અજવાળવા સૂર્ય બનાવ્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. તેમણે રાત્રિને અજવાળવા ચંદ્ર અને તારા બનાવ્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. ઈશ્વરે ઇજિપ્તના પ્રથમજનિતોનો સંહાર કર્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. તેમણે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કર્યાં; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. પોતાના સમર્થ ભુજ અને ઉગામેલા હાથ વડે તેમને છોડાવ્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. તેમણે સૂફ સમુદ્રના બે ભાગ કર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. તેમણે સૂફ સમુદ્રની મધ્યેથી ઇઝરાયલીઓને પાર ઉતાર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. પણ તેમણે ફેરો તથા તેની સેનાને તે સમુદ્રમાં ડુબાવી દીધાં; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. ઈશ્વરે રણપ્રદેશમાં પોતાના લોકોને દોર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. તેમણે મહાન રાજાઓનો સંહાર કર્યો. સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. અને તેમણે નામાંક્તિ રાજાઓને માર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. તેમણે અમોરીઓના રાજા સિહોનને માર્યો, સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. બાશાનના રાજા ઓગને પણ સંહાર્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. તેમનો પ્રદેશ તેમણે ઇઝરાયલને વારસા તરીકે આપ્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. પોતાના સેવક ઇઝરાયલના વંશજોને તે પ્રદેશ વારસામાં આપ્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. આપણી નામોશીમાં તેમણે આપણને સંભાર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. આપણા શત્રુઓના હાથમાંથી આપણને છોડાવ્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. તે સર્વ જનજનાવરને આહાર આપે છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. આકાશના ઈશ્વરની આભારસ્તુતિ કરો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. (બેબિલોન દેશમાં અવદશા) બેબિલોનમાં નદીઓને કાંઠે અમે બેઠા; ત્યારે સિયોનની યાદ આવી જતાં અમે રડી પડયા. ત્યાંના વૃક્ષો પર અમે અમારા તાનપૂરા ફરી કદી ન બજાવવા ટાંગી દીધા. કારણ, અમને બંદિ બનાવનારા બેબિલોનીઓએ અમને ગીત ગાવા ફરમાવ્યું; અમારા એ જુલમગારોએ અમને કહ્યું, “અમારા મનોરંજન માટે સિયોનનાં ગીતોમાંથી કોઈએક ગીત ગાઓ.” પરંતુ પારકી ભૂમિ પર અમે પ્રભુનું ગીત કેવી રીતે ગાઈએ? હે યરુશાલેમ, જો હું તને વીસરી જાઉં; તો મારો જમણો હાથ સુકાઈ જાઓ! જો હું તારું સ્મરણ ન કરું, જો હું યરુશાલેમને મારો શ્રેષ્ઠ આનંદ ન માનું; તો મારી જીભ તાળવે ચોંટી જાઓ. હે પ્રભુ, યરુશાલેમના પતનના દિવસે અદોમીઓએ જે કર્યું તેનું સ્મરણ કરી તેમને સજા કરો. તેઓ વારંવાર કહેતા હતા, “પાડી નાખો, પાડી નાખો, યરુશાલેમને પાયા સુદ્ધાં ધરાશાયી કરો.” હે વિનાશક નગરી બેબિલોન, જે બૂરો વ્યવહાર તેં અમારી સાથે કર્યો, તેવો જ વ્યવહાર તારી સાથે કરનારને ધન્ય હો! જે તારાં સંતાનોને પકડીને ખડક પર અફાળે તેને ધન્ય હો! (દાવિદનું ગીત) હે ઈશ્વર, હું સાચા દિલથી તમારી આભારસ્તુતિ કરું છું; દેવોની સમક્ષ પણ હું તમારું સ્તવન ગાઉં છું. હું તમારા પવિત્ર મંદિર તરફ ભૂમિ પર મસ્તક ટેકવીને તમને નમન કરું છું; તમારા પ્રેમ અને તમારા વિશ્વાસુપણાને લીધે હું તમારા નામનો આભાર માનું છું. તમારું નામ અને તમારું શિક્ષણ સર્વોચ્ચ છે એની પ્રતીતિ તમે કરાવી છે. મેં તમને વિનંતી કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મને આત્મબળ બક્ષીને દઢ બનાવ્યો. હે પ્રભુ, પૃથ્વીના સર્વ રાજાઓ તમારા મુખના શબ્દો સાંભળશે, ત્યારે તેઓ તમારી સ્તુતિ કરશે. તેઓ પ્રભુના માર્ગો વિષે ગાશે કે, “પ્રભુનો મહિમા મહાન છે.” જો કે પ્રભુ મહાન છે છતાં તે દીનજનો પ્રત્યે લક્ષ આપે છે; પણ ગર્વિષ્ઠોને તે દૂરથી ઓળખી કાઢે છે. જો મારે સંકટમય માર્ગે ચાલવું પડે તો પણ તમે મારા જીવને સલામત રાખો છો; ક્રોધે ભરાયેલા મારા શત્રુઓ પર તમે તમારો ડાબો હાથ ઉગામશો, અને તમારા પરાક્રમી જમણા ભુજથી મને વિજય અપાવશો. પ્રભુ મારે માટેનો તેમનો હેતુ પૂર્ણ કરશે. હે પ્રભુ, તમારો પ્રેમ સાર્વકાલિક છે. તમારા હાથની કૃતિનો ત્યાગ કરશો નહિ. (ભક્ત માટે સર્વજ્ઞ ઈશ્વર) હે પ્રભુ, તમે મારી પારખ કરી છે; અને તમે મને પૂરેપૂરો ઓળખો છો. મારું બેસવું તથા ઊઠવું એટલે મારું સમગ્ર વર્તન તમે જાણો છો. વળી, તમે મારા વિચાર દૂરથી પણ સમજો છો. મારું ચાલવું તથા સૂવું પણ તમે તપાસી જુઓ છો; તમે મારા સર્વ માર્ગો વિષે માહિતગાર છો. મારી જીભે હજુ તો હું શબ્દ ઉચ્ચારું તે પહેલાં હે પ્રભુ, તમે તે વિષે સંપૂર્ણપણે જાણો છો. તમે મને ચારેબાજુથી ઘેરી વળીને સંભાળો છો; તમે તમારા હાથના સામર્થ્ય વડે મને ધરી રાખો છો. મારા વિષેનું તમારું આ જ્ઞાન અતિ આશ્ર્વર્યજનક છે; તે અતિ ઉચ્ચ છે અને મારી સમજની બહાર છે. તમારા આત્મા પાસેથી છટકીને હું ક્યાં જાઉં? તમારી હજૂરમાંથી હું ક્યાં નાસી જાઉં? જો હું ઊંચે આકાશમાં ચઢી જાઉં તો તમે ત્યાં છો! જો હું નીચે મૃત્યુલોક શેઓલમાં પથારી કરું તો તમે ત્યાં પણ છો! જો હું પૂર્વમાં પ્રભાતના ઉદ્ગમસ્થાને ઊડી જાઉં, અથવા જો પશ્ર્વિમના સમુદ્રની પેલે પાર જઈને વસું, તો ત્યાં પણ તમારો ડાબો હાથ મને દોરશે, અને તમારો જમણો હાથ મને ગ્રહી રાખશે. જો હું એમ વિચારું કે અંધકાર તો મને જરૂર સંતાડશે અને મારી આસપાસનો પ્રકાશ રાત્રિમાં ફેરવાઈ જાય, તો અંધકાર પણ તમારે માટે અંધકારમય નથી, અને રાત્રિ પણ દિવસની જેમ પ્રકાશે છે. તમારે માટે તો અંધકાર પણ પ્રકાશ સમાન છે. મારા આંતરિક અવયવોને, અરે, મારા સમગ્ર શરીરને તમે રચ્યું છે; તમે જ મને મારી માતાના ગર્ભમાં ઘડયો છે. તમારાં અદ્‍ભુત કાર્યો માટે હું તમારી સ્તુતિ કરું છું; તમારાં સર્વ કાર્યો અજાયબ છે અને હું પણ તમારી એક અજાયબ કૃતિ છું અને મારો પ્રાણ તે સંપૂર્ણપણે જાણે છે. જ્યારે હું ગુપ્તમાં ઘડાતો હતો અને માના ગર્ભાશયમાં જટિલ રીતે ગોઠવાતો હતો ત્યારે ય મારા શરીરનું માળખું તમારાથી છૂપું ન હતું! અને તમારી આંખોએ મારું ગર્ભસ્વરૂપ નિહાળ્યું હતું, મારા જીવનનો એકપણ દિવસ હજી અસ્તિત્વમાં આવ્યો નહોતો, તે પહેલાં મારે માટે નક્કી થયેલા દિવસો તમારા પુસ્તકમાં નોંધાયેલા હતા. હે ઈશ્વર, મારા વિષેના તમારા વિચારો મને કેટલા મૂલ્યવાન લાગે છે! તેમની સંખ્યા કેટલી મોટી છે! જો હું તેમને ગણવા ચાહું, તો તે રેતીના કણ કરતાં અધિક છે: જ્યારે હું જાગું ત્યારે હજી હું તમારી સાથે હોઉં છું. હે ઈશ્વર, તમે દુષ્ટોનો સંહાર કરો તો કેવું સારું! ખૂની માણસોને મારાથી દૂર કરો. તેઓ તમારી નિંદા કરે છે; તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે. હે પ્રભુ, તમને ધિક્કારનારાઓને શું હું ન ધિક્કારું? તમારી વિરુદ્ધ પડનારાઓની શું હું ઘૃણા ન કરું? હું તેમને મારા સંપૂર્ણ દયથી ધિક્કારું છું; હું તેમને મારા શત્રુ ગણું છું. હે ઈશ્વર, મને પારખો અને મારા દયને ઓળખો, મને બારીકાઈથી ચક્સો અને મારા વિચારોને જાણો. હું કોઈ દુરાચારને માર્ગે ચાલતો હોઉં તો તે શોધી કાઢજો અને મને સનાતન માર્ગે ચલાવજો. (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ભજન) હે પ્રભુ, મને દુષ્ટ માણસોથી બચાવો; જુલમગારોથી મારું રક્ષણ કરો. કારણ, તેઓ તેમના હૃદયમાં ભુંડું કરવાનું જ વિચારે છે; વળી, તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે. તેમની જીભ સાપની જીભ જેવી ક્તિલ છે, અને તેમના શબ્દો નાગના વિષ જેવા ઘાતક છે. (સેલાહ) હે પ્રભુ, દુષ્ટોના હાથમાંથી મારું રક્ષણ કરો; ઘાતકી માણસોથી મને સંભાળો; તેઓ મારા પતન માટે ષડયંત્રો રચે છે. અહંકારીઓએ મારે માટે છટકાં ગોઠવ્યાં છે! તેમણે દોરડાં સાથે જાળ બિછાવી છે; અને મને સપડાવવા તેમણે રસ્તા પર ફાંદા ગોઠવ્યા છે. (સેલાહ) મેં કહ્યું, “હે પ્રભુ, તમે જ મારા ઈશ્વર છો! હે પ્રભુ, દયા માટેની મારી યાચનાના પોકાર પર કાન ધરો. હે પ્રભુ પરમેશ્વર, મારા સમર્થ ઉદ્ધારક, યુદ્ધને દિવસે તમે મારું મસ્તક ઢાંકો છો. હે પ્રભુ, તમે દુષ્ટોની ઇચ્છાઓને પૂરી થવા ન દો. (સેલાહ) મને ઘેરી લેનારાઓનાં મસ્તક સફળતાથી ઉન્‍નત થવા ન દો; તેમના હોઠના શાપ તેમના પોતાના પર જ આવી પડો. તેમના પર ધગધગતા અંગારા વરસો; તેઓ અગ્નિમાં ફેંકાઓ, અને ઊંડા ખાડામાં પડયા પછી કદી બહાર ન નીકળો. બીજાઓ પર જૂઠા આરોપ મૂકનારા સફળ ન થાઓ; હિંસક માણસો પર વિપત્તિ ત્રાટકીને તેમને નષ્ટ કરો. મને ખાતરી છે કે પ્રભુ તો પીડિતજનોના દાવાની તરફેણ કરે છે, અને કંગાલોના હકકોની રક્ષા કરે છે. સાચે જ નેકજનો તમારા નામનો આભાર માનશે, અને સરળ જનો તમારી સંમુખ વસશે.” (દાવિદનું ભજન) હે પ્રભુ, હું તમને પોકારું છું: સત્વરે મારી મદદે આવો; હું વિનંતી કરું, ત્યારે મારો પોકાર સાંભળો. મારી પ્રાર્થનાને તમારી સંમુખ ધૂપ સમાન અને મારા પ્રસારેલા હાથોને સંયાકાળના અર્પણ સમાન સ્વીકારો. હે પ્રભુ, મારા મુખ પર ચોકી મૂકો, અને મારા હોઠના દ્વાર પર રખેવાળ મૂકો. હું દુરાચારીઓના સંગમાં ભળીને ભૂંડા કાર્યો કરવા ન લાગુ તે માટે મારા દયને દુષ્ટતા તરફ વળવા ન દો; મને એમની મિજબાનીનાં મિષ્ટાન્‍ન ખાતાં ય રોકો. નેકજન પ્રેમથી ભલે મને ઠપકો આપે કે શિક્ષા કરે; પરંતુ હું દુષ્ટોનું સન્માનરૂપી અત્તર કદી સ્વીકારીશ નહિ. કારણ, હું તેમનાં દુષ્ટ કાર્યો વિરુદ્ધ નિત્ય પ્રાર્થના કરું છું. જ્યારે તેમના શાસકોને પર્વતની કરાડ પરથી નીચે ફેંકી દેવામાં આવશે, ત્યારે લોકો સ્વીકારશે કે મારા શબ્દો સાચા છે. લાકડાં ફાડીને તેમના નાના કકડા કરવામાં આવે છે, તેમ મૃત્યુલોક શેઓલના મુખ પાસે તેમનાં હાડકાં વેરાશે. પરંતુ હે પ્રભુ પરમેશ્વર, મારી આંખો તો તમારા પર મંડાયેલી છે; મેં તમારું શરણ સ્વીકાર્યું છે, તેથી મારા આત્માને રક્ષણ વિનાનો ન રાખો. મારે માટે તેમણે ગોઠવેલા ફાંદાથી અને દુરાચારીઓની જાળથી મારી રક્ષા કરો. દુષ્ટો પોતાની જ જાળમાં સપડાઈ જાઓ, અને તે દરમ્યાન હું જાતે બચી જાઉં. (દાવિદ ગુફામાં હતો તે સમયનું તેનું માસ્કીલ: પ્રાર્થના) હું મોટે સાદે પ્રભુને પોકારું છું; હું ઉચ્ચ સ્વરે પ્રભુને આજીજી કરું છું. હું તેમની સમક્ષ મારી હૈયાવરાળ ઠાલવું છું. હું તેમને મારી વેદના જણાવું છું. મારો આત્મા હતાશ થઈ જાય ત્યારે તમે મને માર્ગદર્શન આપો છો; મારા શત્રુઓએ તો મારા માર્ગમાં મારે માટે ફાંદા સંતાડયા છે. હે ઈશ્વર, મારા જમણા હાથ તરફ જુઓ; મારી પડખે મને ઓળખનાર કોઈ નથી; મારે માટે કોઈ આશ્રયસ્થાન પણ નથી, અને મારી દરકાર કરનાર કોઈ નથી. હે પ્રભુ, હું તમને પોકાર કરીને કહું છું કે, “તમે જ મારા આશ્રય છો, જીવંતજનોની આ દુનિયામાં તમે જ મારું સર્વસ્વ છો.” સહાય માટેના મારા પોકાર પ્રત્યે ધ્યાન આપો; કારણ, મારી ભારે દુર્દશા થઈ છે. મને સતાવનારાઓના હાથમાંથી મને છોડાવો; કારણ, તેઓ મારા કરતાં ઘણા બળવાન છે. મને આ કેદમાંથી મુક્ત કરો; જેથી હું તમારા નામની આભારસ્તુતિ કરું; પછી નેકજનો મને વીંટળાઈ વળશે. કારણ, તમે મારી સાથે ભલાઈથી વર્તશો. (દાવિદનું ભજન) હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો; મારી આજીજી પ્રત્યે કાન ધરો. તમારા વિશ્વાસુપણાને લીધે અને તમારી ઉદ્ધારકશક્તિ વડે મને ઉત્તર આપો. તમારા આ સેવકનો ન્યાય કરવા બેસશો નહિ; કારણ, તમારી સંમુખ કોઈ નિર્દોષ નથી. શત્રુએ મારો પીછો કરીને મને પાડી દીધો છે; તેણે મને ભૂમિ પર કચડી નાખ્યો છે. લાંબા સમયથી મૃત્યુ પામેલા માણસની જેમ તેણે મને અંધારા સ્થાનમાં પૂર્યો છે. મારો આત્મા અત્યંત નિર્ગત થયો છે; મારું હૃદય નિરાશાથી ત્રાસી ગયું છે. હું વીતેલા દિવસોનું સ્મરણ કરું છું; હું તમારાં સર્વ અદ્‍ભુત કાર્યો વિષે મનન કરું છું; અને તમારે હાથે થયેલાં કાર્યોનું ચિંતન કરું છું. હું તમારી તરફ મારા હાથ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો પ્રાણ તમારે માટે તરસે છે. (સેલાહ) હે પ્રભુ, મને વિના વિલંબે ઉત્તર દો; મારો આત્મા ભાંગી પડવાની તૈયારીમાં છે. તમારું મુખ મારાથી સંતાડશો નહિ; અન્યથા, હું કબરમાં ઊતરી જનારા મૃતકો સમાન થઈ જઈશ. દર પ્રભાતે મને તમારા પ્રેમ વિષે જણાવો; કારણ, હું તમારા પર ભરોસો રાખું છું. મારે જે માર્ગે ચાલવું જોઈએ તે મને દર્શાવો; કારણ, મારું અંતર તમારામાં જ લાગેલું છે. હે પ્રભુ, હું તમારે શરણે આવ્યો છું; મારા શત્રુઓથી મને બચાવો. એકમાત્ર તમે જ મારા ઈશ્વર છો; તેથી તમારી ઇચ્છા અનુસાર વર્તવાનું મને શીખવો. તમારા ભલા આત્મા થકી મને સમતલ ભૂમિમાં દોરી જાઓ. તમારા નામને ખાતર મને જીવંત રાખો; તમારી ઉદ્ધારક શક્તિથી મારા પ્રાણને સંકટમાંથી બહાર કાઢો. તમારા પ્રેમને લીધે મારા શત્રુઓનો સંહાર કરો, અને મારા પ્રાણને પરેશાન કરનારાઓનો નાશ કરો; કારણ, હું તમારો સેવક છું. (દાવિદનું ભજન) પ્રભુ મારા સંરક્ષક ખડક છે, તેમને ધન્ય હો! તે મારા હાથને યુદ્ધની અને મારી આંગળીઓને લડાઈની તાલીમ આપે છે. તે મારા નિકટના મિત્ર અને મારા ગઢ છે; મારા મજબૂત દૂર્ગ અને મારા મુક્તિદાતા છે. તે મારી સંરક્ષક ઢાલ અને મારો આધાર છે; તે પ્રજાઓને મારે તાબે કરે છે. હે પ્રભુ, માણસ તે કોણ કે તમે તેનો ખ્યાલ રાખો છો? અને મર્ત્ય માનવીની શી વિસાત કે તમે એનો વિચાર કરો છો? મનુષ્ય તો ફૂંક સમાન છે, અને તેના દિવસો સાંજે અદશ્ય થતી છાયા સમાન છે. હે પ્રભુ, તમારાં આકાશોને ફાડીને નીચે ઊતરી આવો; પર્વતોને સ્પર્શો કે તેમનામાંથી ધૂમાડો નીકળે. તમારી વીજળી ચમકાવીને શત્રુઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડી તેમને નસાડી દો. ઊંચા સ્થાનોમાંથી તમારો હાથ લંબાવી મને ઉઠાવી લો; ઊંડા પાણીમાંથી અને પારકાઓના હાથમાંથી મને મુક્ત કરો. તેમનું મુખ માત્ર અસત્ય ઉચ્ચારે છે, અને તેઓ જમણા હાથથી જૂઠા શપથ ખાવા તૈયાર હોય છે. હે ઈશ્વર, મને તમારે માટે એક નવું ગીત ગાવા દો; મને દસતારી વીણા સાથે તમારું સ્તવન કરવા દો. તમે ઇઝરાયલના રાજાઓને વિજય અપાવો છો અને તમારા સેવક દાવિદને ઉગારો છો. મને ક્રૂર તલવારથી બચાવો, પરદેશીઓના હાથમાંથી ને મુક્ત કરો; તેમનું મુખ માત્ર અસત્ય ઉચ્ચારે છે, અને તેઓ જમણાં હાથથી જૂઠા શપથ ખાવા તૈયાર હોય છે. ઈશ્વરની આશિષથી અમારા પુત્રો પોતાની યુવાનીમાં પૂર્ણવિકસિત રોપા સમાન મજબૂત થાઓ, અને અમારી પુત્રીઓ રાજમહેલ શણગારવા કોતરાયેલી થાંભલીઓ જેવી સુંદર બનો. અમારી વખારો દરેક પ્રકારના ધાન્યથી ભરપૂર હો. અમારા વાડામાં ઘેટાંઓ હજારોહજાર બચ્ચાં જન્માવો! અમારા બળદો ભાર ઊંચકવામાં જબરા થાઓ! આક્રમણથી નગરકોટમાં ન તો કોઈ ગાબડું પડો કે ન તો કોઈનો દેશનિકાલ થાઓ કે અમારી શેરીઓમાં વેદનાની ચીસો ન પડો. જે પ્રજાના સંબંધમાં આ વાતો સાચી છે તે ઈશ્વરથી આશીર્વાદિત છે. જે પ્રજાના ઈશ્વર યાહવે છે તેને ધન્ય છે. (દાવિદનું સ્તુતિગીત) હે મારા ઈશ્વર, મારા રાજા, હું લોકોમાં તમારી મહાનતા જાહેર કરીશ. હું સદાસર્વદા તમારા નામને ધન્ય કહીશ. પ્રતિદિન હું તમને ધન્ય કહીશ; હું સદાસર્વદા તમારા નામની સ્તુતિ કરીશ. પ્રભુ મહાન છે અને અત્યંત સ્તુતિપાત્ર છે; તેમનું મહાત્મ્ય અગમ્ય છે. એક પેઢી બીજી પેઢી સમક્ષ તમારાં અદ્‍ભુત કાર્યોની પ્રશંસા કરશે, અને તમારા પરાક્રમનાં કાર્યોને પ્રસિદ્ધ કરશે. તેઓ તમારા ગૌરવની મહત્તા અને ભવ્યતાનું વર્ણન કરશે, અને હું પણ તમારાં અજાયબ કાર્યો પર મનન કરીશ. લોકો તમારાં ભયાવહ કાર્યોનું સામર્થ્ય પ્રગટ કરશે, અને હું પણ તમારી મહાનતા જાહેર કરીશ. તેઓ તમારી અપાર ભલાઈનું સ્મરણ કરી તમારા ગુણગાન ગાશે, અને તમારી ઉદ્ધારકશક્તિ વિષે આનંદપૂર્વક જયજયકાર કરશે. પ્રભુ કૃપાળુ અને દયાળુ છે; તે મંદરોષી અને પ્રેમથી ભરપૂર છે. પ્રભુ સર્વ પ્રત્યે ભલા છે; તેમણે સરજેલા સર્વ સજીવો પર તે દયા દર્શાવે છે. હે પ્રભુ, તમે સર્જેલા સર્વ જીવો તમારો આભાર માને છે; તમારા સંતો તમને ધન્ય કહે છે. તેઓ તમારું રાજદ્વારી ગૌરવ પ્રસિદ્ધ કરશે; તેઓ તમારા પરાક્રમ વિષે વાતો કરશે. તેઓ અન્ય મનુષ્યો સમક્ષ તમારાં પરાકર્મી કાર્યો અને તમારા રાજ્યાધિકારની ભવ્યતાનું ગૌરવ પ્રગટ કરશે. તમારો રાજ્યાધિકાર સાર્વકાલિક છે; તમારું શાસન પેઢી દરપેઢી ટકે છે. પ્રભુ પડતા જનોને ટેકો આપે છે, અને નીચે પડી ગયેલા જનોને ઉઠાવી લે છે. સૌ સજીવો તમારા પર મીટ માંડે છે, અને યોગ્ય સમયે તમે તેમને આહાર આપો છો. તમે સૌ સજીવોને ઉદાર હાથે આપો છો, અને તેમની ઇચ્છા તૃપ્ત કરો છો. પ્રભુ પોતાના સર્વ માર્ગોમાં વાજબી છે, અને પોતાનાં સર્વ કાર્યોમાં કૃપાળુ છે. પ્રભુ તેમને પોકારનાર સર્વની સમીપ છે; સાચા ભાવથી તેમને પોકારનાર સર્વની નિકટ છે. તે પોતાના ભક્તોની ઇચ્છા પૂર્ણ કરે છે, તે તેમની અરજ સાંભળે છે ને તેમને ઉગારે છે. પ્રભુ તેમના પર પ્રીતિ રાખનાર સર્વનું રક્ષણ કરે છે, પરંતુ તે સર્વ દુષ્ટોનો સંહાર કરે છે. મારું મુખ યાહવેની સ્તુતિ કરશે; તેમણે સર્જેલા સર્વ જીવો તેમના પવિત્ર નામને સદા ધન્ય કહો. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! હે મારા આત્મા, પ્રભુની સ્તુતિ કર. હું જીવનભર પ્રભુની સ્તુતિ કરીશ. મારી હયાતીના અંત સુધી હું ઈશ્વરનાં સ્તવનો ગાઈશ. હું નેતાઓ પર ભરોસો રાખીશ નહિ, તેમજ માનવજાત પર પણ નહિ; કારણ, તેમની પાસે ઉદ્ધાર નથી. શ્વાસ બંધ થતાં માનવી માટીમાં મળી જાય છે, અને તે જ દિવસે તેની યોજનાઓનો અંત આવે છે જેના સહાયક યાકોબના આરાધ્ય ઈશ્વર છે, અને જે પોતાના ઈશ્વર પ્રભુ પર આશા રાખે છે તેને ધન્ય છે. પ્રભુ તો આકાશ, પૃથ્વી અને સમુદ્રના તથા તેમાં જે કંઈ છે તે સર્વના સર્જક છે. તે સદા સત્યના રક્ષક છે. તે જુલમપીડિતોના પક્ષમાં ન્યાય આપે છે; તે ભૂખ્યાંને ભોજન આપે છે. પ્રભુ બંદીવાનોને મુક્ત કરે છે; પ્રભુ અંધજનોને દેખતા કરે છે; પ્રભુ પતિતોને ઊઠાવે છે; પ્રભુ નેકજનો પર પ્રેમ રાખે છે; પ્રભુ પરદેશીઓનું રક્ષણ કરે છે; પ્રભુ અનાથો અને વિધવાઓને સંભાળે છે, પણ પ્રભુ દુષ્ટોની યોજનાઓને નિષ્ફળ કરે છે. પ્રભુ સર્વકાળ રાજ કરશે. હે સિયોન, તારા ઈશ્વર પેઢી દરપેઢી રાજ કરશે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! (ઇઝરાયલના ઇતિહાસમાં અને સૃષ્ટિમાં પ્રભુનું સામર્થ્ય) યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! આપણા ઈશ્વરનાં સ્તવન ગાવાં તે કેવું ઉત્તમ છે! તેમની સ્તુતિ ગાવી તે કેવું આનંદદાયક અને ઉચિત છે! પ્રભુ યરુશાલેમને ફરી બાંધે છે; તે વિખેરાઈ ગયેલા ઇઝરાયલીઓને પાછા એકત્ર કરે છે. તે દયભંગિતોને સાજા કરે છે; તે તેમના ઘા રૂઝવે છે. તેમણે પ્રત્યેક નક્ષત્રમાં તારાની સંખ્યા નિશ્ર્વિત કરી છે; તે દરેક નક્ષત્રને તેના નામથી બોલાવે છે. આપણા પ્રભુ મહાન અને અત્યંત સામર્થ્યવાન છે; તેમનું જ્ઞાન અસીમ છે. તે જુલમપીડિતોને સહારો આપે છે. પરંતુ દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે. પ્રભુનો આભાર માનતાં માનતાં ગાઓ; વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તવન ગાઓ. તે આકાશને વાદળોથી આચ્છાદિત કરે છે; તે પૃથ્વીને માટે વરસાદ તૈયાર કરે છે; તે ડુંગરો પર ઘાસ ઉગાવે છે. તે ઢોરોને તેમ જ ખોરાક માટે પોકારતા કાગડાંનાં બચ્ચાને પણ ખોરાક પૂરો પાડે છે. તે અશ્વદળની શક્તિથી પ્રસન્‍ન થતાં નથી, કે બહાદુર સૈનિકોના પાયદળથી પણ રાજી થતા નથી. પરંતુ તે તો તેમના ભક્તો, એટલે તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓથી જ પ્રસન્‍ન થાય છે. હે યરુશાલેમ, પ્રભુનું સ્તવન કર; હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર; તે તારા દરવાજાઓના આગળિયાઓને સુદૃઢ બનાવે છે; તે તારી સરહદોને સુરક્ષિત રાખે છે, અને શ્રેષ્ઠ ઘઉંથી તને ભરપૂર કરે છે. તે પોતાની આજ્ઞા પૃથ્વી પર પાઠવે છે; તેમનો અવાજ તેજ ગતિએ દોડે છે. તે સફેદ ઊન જેવો બરફ વરસાવે છે, અને રાખની જેમ હિમ વેરે છે. તે કાંકરા જેવા કરા વરસાવે છે અને તેમની ઠંડીથી પાણી ઠરી જાય છે. પછી તે આજ્ઞા આપે છે એટલે બરફ પીગળવા માંડે છે; તે પવન મોકલે છે એટલે પાણી વહેવા લાગે છે. તે યાકોબના વંશજોને પોતાનું શિક્ષણ, એટલે ઇઝરાયલ લોકને પોતાનાં ફરમાનો અને ચુકાદાઓ પ્રગટ કરે છે. ઈશ્વરે બીજી કોઈ પ્રજા સાથે આવો વ્યવહાર રાખ્યો નથી; તેઓ તેમના ચુકાદા જાણતા નથી. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! સમગ્ર વિશ્વ યાહવેની સ્તુતિ કરો! યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! સ્વર્ગમાં વસનારાઓ, પ્રભુની સ્તુતિ કરો; ઉચ્ચ સ્થાનોમાં વસનારાઓ, તેમની સ્તુતિ કરો. હે ઈશ્વરના દૂતો, તેમની સ્તુતિ કરો; હે પ્રભુનાં સર્વ સૈન્યો, તેમની સ્તુતિ કરો. સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; હે પ્રકાશિત તારાગણો, તેમની સ્તુતિ કરો. આકાશોનાં આકાશો, તેમની સ્તુતિ કરો, આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો. તે સર્વ યાહવેના નામની સ્તુતિ કરે, કારણ, તેમની આજ્ઞા વડે તેઓ સર્જાયાં. તેમણે અપરિવર્તનશીલ નિયમ વડે તેમને તેમનાં સ્થાનોએ સદાસર્વદાને માટે સ્થાપ્યાં છે. પૃથ્વી પર વસનારા, પ્રભુની સ્તુતિ કરો; જળ રાક્ષસો અને સર્વ ઊંડાણો; વીજળી તથા કરા; હિમ તથા મેઘ; ઈશ્વરની આજ્ઞા પાળનારા આંધીના પવનો; પર્વતો અને સર્વ ડુંગરાઓ; ફળવૃક્ષો અને સર્વ ગંધતરુઓ; વનનાં રાની પશુઓ તથા સર્વ ઢોર; પેટે ચાલતાં જીવજંતુઓ અને ઊડનારાં પક્ષીઓ; પૃથ્વીના રાજાઓ તથા સર્વ પ્રજાઓ; નેતાઓ અને પૃથ્વીના સર્વ શાસકો; યુવાનો અને યુવતીઓ; વૃદ્ધો અને બાળકો એ સૌ યાહવેના નામની સ્તુતિ કરો; કારણ, માત્ર તેમનું જ નામ સૌથી બુલંદ છે; તેમની ભવ્યતા આકાશ અને પૃથ્વી કરતાં મહાન છે. ઈશ્વરે પોતાના લોકોને શક્તિમાન બનાવ્યા છે; જેથી તેમના સર્વ સંતો, એટલે, તેમના પ્રિય ઇઝરાયલ લોક તેમની સ્તુતિ કરે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! પ્રભુના માનમાં નવું ગીત ગાઓ, અને સંતોની સભામાં તેમની સ્તુતિ કરો. હે ઇઝરાયલ, તમારા સર્જનહારમાં આનંદ કરો; હે સિયોનપુત્રો, તમારા રાજામાં હરખાઓ. તમે નૃત્ય કરીને ઈશ્વરના નામની સ્તુતિ કરો; ખંજરી તથા વીણા વગાડીને તેમનું સ્તવન ગાઓ. કારણ, પ્રભુ પોતાના લોકોથી પ્રસન્‍ન છે. તે પીડિતજનોને વિજયથી શણગારે છે. તેમના સંતો વિજયમાં આનંદ પામો; પથારીમાં પણ તેઓ આનંદથી ઈશ્વરનો જયજયકાર કરો. તેમના ગળામાં ઈશ્વરની બુલંદ સ્તુતિ હો; અને તેમના હાથમાં બેધારી તલવાર હો; જેથી તેઓ વિધર્મી રાષ્ટ્રો પર બદલો વાળે; અને અન્ય પ્રજાઓને શિક્ષા કરે. તે તેમના રાજાઓને જંજીરોથી, અને તેમના અમીરોને બેડીઓથી બાંધે; અને ઈશ્વરના તેમની વિરુદ્ધના ચુકાદાનો અમલ બજાવે. ઈશ્વરનાં સર્વ સંતોની એ જ પ્રતિષ્ઠા છે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! તેમના પવિત્રસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો; આકાશના ધુમ્મટ નીચે પણ તેમની સ્તુતિ કરો. તેમનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમની ઉત્તમ મહાનતાને માટે તેમની સ્તુતિ કરો. રણશિંગડું વગાડીને તેમની સ્તુતિ કરો; વીણા અને તાનપુરાથી તેમની સ્તુતિ કરો. ખંજરી અને નૃત્યસહિત તેમની સ્તુતિ કરો; તંતુવાદ્યો અને શરણાઈથી તેમની સ્તુતિ કરો. તીવ્ર સ્વરવાળી ઝાંઝ સાથે તેમની સ્તુતિ કરો; મોટી ઝાંઝના ઉચ્ચ નાદથી તેમની સ્તુતિ કરો. શ્વાસ લેનારા સર્વ સજીવો યાહની સ્તુતિ કરો. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! ઇઝરાયલના રાજા, દાવિદના પુત્ર શલોમોનનાં સુભાષિતો: આ સુભાષિતો જ્ઞાન અને શિસ્ત વિષે શિક્ષણ પ્રાપ્ત કરવા અને પરખાયેલાં કથનો સમજવા માટે સહાયરૂપ છે. તે શિસ્તપૂર્વક અને ડહાપણપૂર્વક આચરણ કરતાં તથા નેકી, ઇન્સાફ અને શુદ્ધતામય જીવન જીવતાં શીખવે છે, તે અબુધોને ચતુર બનાવે છે, અને યુવાનોને વિદ્યા અને વિવેક બક્ષે છે. તે રૂપકકથાઓ અને ઉદાહરણોનો ગૂઢાર્થ સમજવા અને જ્ઞાનીઓનાં કથનો તથા માર્મિક વાતોનો તાગ કાઢવા માટે છે. જ્ઞાનીઓ પણ તેમનું શ્રવણ કરે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરે, અને પારખશક્તિવાળા જનો માર્ગદર્શન પ્રાપ્ત કરે. *** પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યાપ્રાપ્તિનો આરંભ છે; પણ મૂર્ખો જ્ઞાન અને શિસ્તનો તિરસ્કાર કરે છે. મારા પુત્ર તારા પિતાએ ફરમાવેલી શિસ્ત પ્રત્યે લક્ષ આપ, અને તારી માતાના શિક્ષણની ઉપેક્ષા કરીશ નહિ. એ શિસ્ત તારા શિર પર યશકલગીરૂપ અને એ શિક્ષણ તારા ગળામાં શોભાયમાન હાર સમાન બની રહેશે. મારા પુત્ર, પાપીઓ તને પ્રલોભનોમાં ફસાવવા પ્રયાસ કરે, ત્યારે તું લલચાઈશ નહિ. જો તેઓ કહે, “અમારી સાથે આવ, આપણે ખૂન કરવા સંતાઈ જઈએ, અને કોઈ નિર્દોષને વિનાકારણ રંજાડવા લપાઈ રહીએ; આપણે તેમને મૃત્યુલોક શેઓલની માફક જીવતા જ ગળી જઈએ અને ગર્તામાં જનારની જેમ તેમને આખાને આખા ઉતારી દઈએ; આપણે જાતજાતની કીમતી ચીજો પ્રાપ્ત કરીએ, અને આપણાં ઘર લૂંટેલા ખજાનાથી છલકાઈ જશે! માટે તું અમારી ટોળકીમાં જોડાઈ જા, અને લૂંટમાં આપણે સરખા ભાગીદાર થઈશું.” તો મારા પુત્ર એવા માણસોના માર્ગને તું અનુસરીશ નહિ, અને તારાં પગલાં તેમના રસ્તાથી દૂર રાખજે. કારણ, તેઓ દુષ્ટતા આચરવા દોડી જાય છે, અને ખૂન કરવા સદા તત્પર હોય છે. પક્ષીના દેખતાં તેને પકડવાની જાળ બિછાવવી નિરર્થક છે. પરંતુ એવા માણસો તો જાણે પોતાનું જ લોહી વહેવડાવા છુપાઈ રહ્યા હોય છે, અને પોતાની જાતને જ હાનિ કરવા લપાઈ રહ્યા હોય છે. લૂંટ કરનારાઓનો આખરી અંજામ એ જ હોય છે, જુલમ કરી જીવનારા જુલમનો જ ભોગ બને છે. સાંભળો, જ્ઞાન શેરીઓમાં પોકારે છે, અને તે ચૌટેચકલે હાંક મારે છે. બજારમાં ભીડના સ્થળે તે સાદ પાડે છે, અને નગરના નાકે સંબોધન કરે છે. “હે અબુધો, તમે ક્યાં સુધી નાદાનિયતને વળગી રહેશો? હે ઈશ્વરનિંદકો, ક્યાં સુધી તમે નિંદામાં રાચશો અને હે મૂર્ખ લોકો, ક્યાં સુધી જ્ઞાન પ્રત્યે નફરત દાખવશો? જો તમે મારો ઠપકો લક્ષમાં લેશો, તો હું તમારી આગળ મારું દિલ ઠાલવી દઈશું, અને તમને મારા વિચારો પ્રગટ કરીશ. હું તમને બોલાવ્યા કરું છું; પણ તમે સાંભળતા નથી; હું મારો હાથ પ્રસારું છું, પણ તમે લક્ષ આપતા નથી. મારી સર્વ સલાહની તમે અવગણના કરી છે, અને તમને સુધારવા માટેનો મારો ઠપકો નકાર્યો છે. તેથી તમારા પર અચાનક વિપત્તિ આવી પડે ત્યારે હું અટ્ટહાસ્ય કરીશ; આતંક તમને પકડી પાડે ત્યારે હું તમારી મજાક ઉડાવીશ. તોફાનની જેમ મહાઆપત્તિ અને વંટોળની જેમ મુશ્કેલીઓથી તમે ઘેરાઈ જશો અને ભારે પીડા તથા વ્યથા અનુભવશો, ત્યારે હું તમારો ઉપહાસ કરીશ. ત્યારે તમે મને એટલે જ્ઞાનને પોકારશો, પણ હું ઉત્તર આપીશ નહિ; તમે મને આતુરતાથી શોધશો, પરંતુ હું તમને મળીશ નહિ. કારણ, તમે વિદ્યાનો સતત તિરસ્કાર કર્યો છે, અને પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર રાખ્યો નથી. તમે મારી સલાહ કદી માની નથી, અને મારી બધી શિખામણની તમે ઉપેક્ષા કરી છે. તેથી તમારા આચરણનું પૂરું ફળ તમને મળશે. અને તમારે જ તમારાં અપકૃત્યોના ભોગ બનવું પડશે. જ્ઞાનનો અનાદર કરનાર અબુધો મૃત્યુને ભેટશે, અને મૂર્ખોની બેદરકારી તેમના જ વિનાશનું નિમિત્ત બનશે. પરંતુ મારી વાત સાંભળનાર દરેક સુરક્ષિત રહેશે, અને કોઈ વિપત્તિનો ડર રાખ્યા વિના તે નિર્ભય રહેશે.” મારા પુત્ર, જો તું મારા શિક્ષણનો અંગીકાર કરીશ, અને મારી આજ્ઞાઓ પ્રમાણે વર્તવાનું સદા યાદ રાખીશ; જો તું જ્ઞાન પ્રત્યે લક્ષ આપીશ, અને વિવેકબુદ્ધિમાં તારું ચિત્ત પરોવીશ; જો તું પારખશક્તિ માટે પોકારીને વિનંતી કરીશ, અને સમજણ માટે ઊંચે અવાજે આજીજી કરીશ; જો તું સોનાચાંદીની જેમ તેની શોધ કરશે, અને છુપા ખજાનાની જેમ તેની ખોજ કરશે; તો પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એટલે શું તે તું સમજી શકીશ, અને ઈશ્વરનો પરિચય પામી શકીશ. કારણ, પ્રભુ જ જ્ઞાન બક્ષે છે, અને તેમના મુખમાંથી વિદ્યા અને વિવેકબુદ્ધિ નીકળે છે. સત્પંથે ચાલનારાઓને તે વ્યવહારિક જ્ઞાન પણ પૂરું પાડે છે, તે પ્રામાણિકજનો માટે ઢાલ સમુ બની તેમનું રક્ષણ કરે છે. અન્ય પ્રત્યે નિષ્પક્ષ અને ન્યાયીવર્તન કરનારની તે રક્ષા કરે છે, અને પોતાના સંતોની ચોકી કરે છે. જો તું મારું સાંભળશે તો તું નેકી અને ઇન્સાફને પારખી શકીશ અને તું સન્માર્ગે આગળ વધીશ. જ્ઞાન તારા અંતરમાં ઊતરશે, અને વિદ્યા તારા પ્રાણને આનંદિત કરશે. વિવેકબુદ્ધિ તારું રક્ષણ કરશે, અને પારખબુદ્ધિ તારી ચોકી કરશે. તે તને દુરાચારીઓના માર્ગને અનુસરતાં, તેમ જ કપટી વાણી દ્વારા ઉશ્કેરણી સર્જનાર, અને પ્રામાણિકપણાનો માર્ગ તજી અંધકારના માર્ગોમાં ચાલનારથી બચાવશે. *** એ ઉપરાંત તે તને દુષ્કર્મોમાં મજા માણનારા, ભ્રષ્ટતામાં આનંદ લૂટનારા, સન્માર્ગેથી ભટકી જનારા, અને કપટી વર્તન કરનારાઓથી ઉગારશે. *** જ્ઞાન તને વ્યભિચારી સ્ત્રીથી અને મોહભરી વાતોથી આકર્ષવાનો યત્ન કરનાર વેશ્યાથી બચાવશે. એવી સ્ત્રી પોતાના પતિ પ્રત્યે બેવફા થાય છે, અને ઈશ્વરની સમક્ષ કરેલો પવિત્ર કરાર વીસરી જાય છે. આવી સ્ત્રીના ઘર તરફ જતો રસ્તો એ જાણે મૃત્યુલોક શેઓલનો માર્ગ છે, અને તેને ઘેર જવું એ મૃતકોની દુનિયામાં જવા બરાબર છે. તેની મુલાકાતે જનાર કોઈ પાછો ફરતો નથી અને તેને જીવનદાયક માર્ગ જડતો નથી. તેથી તું સજ્જનોનો નમૂનો લે, અને નેકજનોના પંથમાં ચાલ; કારણ, સદાચારીઓ આ ધરતી પર વસી શકશે, અને પ્રમાણિકજનો તેમાં નભી જશે. પરંતુ દુષ્ટો પૃથ્વી પરથી નષ્ટ થઈ જશે, અને કપટી લોકો જડમૂળથી ઉખેડી નંખાશે. મારા પુત્ર, મારા શિક્ષણને વીસરી ન જા, અને મારી આજ્ઞાઓને તારા હૃદયમાં સંઘરી રાખ. મારું શિક્ષણ તને દીર્ઘાયુષ્ય અને આબાદી બક્ષશે. નિષ્ઠા અને સચ્ચાઈનો કદી ત્યાગ કરીશ નહિ, તું તેમને તારા ગળાનો હાર બનાવ; અને તારા દયપટ પર અંક્તિ કર. આમ કરવાથી તું ઈશ્વરની અને માણસોની દષ્ટિમાં સદ્ભાવ અને સંમતિ પ્રાપ્ત કરીશ. પૂરા દયથી પ્રભુ પર ભરોસો રાખ; માત્ર તારી પોતાની જ સમજણ પર આધાર રાખીશ નહિ. તારાં બધાં કાર્યોમાં ઈશ્વરનું આધિપત્ય સ્વીકાર, અને તે તને સીધે માર્ગે દોરશે. તું પોતાને જ્ઞાની માની બેસીશ નહિ; પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને દુષ્ટતાથી દૂર થા. એમ કરવું એ તારા શરીર માટે સંજીવની સમાન થશે, અને તારા અંગેઅંગને તાજગીદાયક બનશે. તારી સંપત્તિ વડે પ્રભુનું સન્માન કર, અને તારી સર્વ ઊપજના પ્રથમફળનું તેમને અર્પણ ચડાવ. ત્યારે તારા કોઠારો ધાન્યથી ઊભરાશે, અને તારા દ્રાક્ષકુંડો દ્રાક્ષાસવથી છલકાશે. મારા પુત્ર, પ્રભુએ ફરમાવેલી શિસ્તનો અનાદર કરીશ નહિ, અને તે તને સુધારવા ચાહે તો માઠું લગાડીશ નહિ. જેમ પિતા પોતાના લાડકા પુત્રને સુધારવા ચાહે છે, તેમ પ્રભુ પોતાનાં પ્રિયજનોને સુધારે છે. જ્ઞાન પ્રાપ્ત કરનાર માણસ પરમસુખી છે, અને પારખબુદ્ધિ મેળવનાર માણસ ધન્યવાદને પાત્ર છે. કારણ, ચાંદીની પ્રાપ્તિ કરતાં જ્ઞાનપ્રાપ્તિ અધિક લાભદાયી છે, અને સુવર્ણપ્રાપ્તિ કરતાં પણ અધિક મૂલ્યવાન છે. જ્ઞાન રત્નોથીયે વધુ કીમતી છે, તારી ઝંખેલી કોઈપણ ઈષ્ટ વસ્તુ સાથે તેની તુલના થઈ શકે નહિ. જ્ઞાનના જમણા હાથમાં તારે માટે દીર્ઘાયુષ્ય છે, અને તેના ડાબા હાથમાં સંપત્તિ અને સન્માન છે. જ્ઞાન તારા જીવનને આનંદમય બનાવે છે, અને તારા માર્ગમાં તને કલ્યાણ બક્ષે છે. જ્ઞાન તેને ગ્રહણ કરનાર માટે ‘જીવનના વૃક્ષ’ જેવું છે, અને તેને વળગી રહેનાર સલામત રહે છે. પ્રભુએ જ્ઞાન વડે પૃથ્વી રચી હતી, અને સમજ વડે આકાશને સ્થાપન કર્યું હતું. તેમના જ્ઞાન વડે ઊંડાણમાંથી ઝરણાં વહેવા માંડયાં, અને વાદળોએ ઝાકળ વરસાવ્યું. મારા પુત્ર, વ્યવહારુ જ્ઞાન અને વિવેકબુદ્ધિને પકડી રાખ, અને તેમના પર તારી નજર સતત રાખ. તેઓ તારે માટે સંજીવની સમાન થશે, અને તારા ગળા માટે શોભાનું આભૂષણ બની રહેશે. ત્યારે તું તારા માર્ગમાં સહીસલામતીપૂર્વક જઈ શકીશ, અને તારા પગ ઠોકર ખાશે નહિ. રાત્રે સૂતી વેળાએ તને ડર લાગશે નહિ, અને તને ગાઢ નિદ્રા આવશે. અચાનક આવી પડતી આપત્તિઓનો કે દુષ્ટો દ્વારા કરાતા આક્રમણનો તને ભય રહેશે નહિ. કારણ, પ્રભુ પોતે તારા રક્ષક છે; તે તને કોઈપણ ફાંદામાં ફસાવા દેશે નહિ. કોઈને તારી મદદની જરૂર હોય અને તું એને મદદ કરી શકે તેમ હોય, તો તેને ના પાડીશ નહિ. જો આજે જ તારા પડોશીને તું મદદ કરી શકે તેમ હોય, તો તેને “પછીથી આવજે, હું તને કાલે આપીશ” એમ ના કહીશ. તારા પડોશીને નુક્સાન થાય એવી કોઈ યોજના કરીશ નહિ, કારણ, તે તારા વિશ્વાસે તારી પડોશમાં વસે છે. તારું કયારેય કશું ખોટું કર્યું નથી તેવી વ્યક્તિ સાથે વિના કારણ વાદવિવાદ ન કર. જુલમીની અદેખાઈ કરીશ નહિ, અને તેના વર્તનનું અનુકરણ કરીશ નહિ. કારણ, ભ્રષ્ટતા આચરનારને પ્રભુ ધિક્કારે છે, પરંતુ સજજનોને તે વિશ્વાસપાત્ર ગણે છે. દુષ્ટોના ઘર પર પ્રભુનો શાપ ઊતરે છે, પણ નેકજનોના નિવાસ પર તેમની આશિષ વરસે છે. પ્રભુ ઉદ્ધતોની ઉપેક્ષા કરે છે; પરંતુ નમ્રજનો પર પોતાની કૃપા વરસાવે છે. જ્ઞાનીઓ ગૌરવી વારસો પામશે, પણ મૂર્ખજનો તો પોતાની અપકીર્તિમાં વૃદ્ધિ કરશે! મારા પુત્રો, તમારા પિતાએ ફરમાવેલી શિસ્ત પ્રત્યે લક્ષ આપો; તે પ્રતિ ધ્યાન આપવાથી તમને પારખબુદ્ધિ પ્રાપ્ત થશે. હું તમને ઉત્તમ બોધ આપું છું, તેથી મારા શિક્ષણની અવજ્ઞા કરશો નહિ. એકવેળાએ હું પણ મારા પિતાનું બાળક હતો, અને કુમળી વયે માનો લાડકો હતો. મારા પિતા મને શીખવતાં શીખવતાં કહેતા; “મારા શબ્દો તારા હૃદયમાં સાચવી રાખ, મારી આજ્ઞાઓને અનુસર એટલે તું ભરપૂર જીવન જીવવા પામશે. ગમે તે ભોગે જ્ઞાન પ્રાપ્ત કર અને સમજ સંપાદન કર; સારાં શબ્દો વીસરી જઈશ નહિ અને તેમની અવજ્ઞા કરીશ નહિ. જ્ઞાનનો ત્યાગ ન કર, એટલે તે તારું રક્ષણ કરશે; તેના પર પ્રેમ રાખ, એટલે તે તને સલામત રાખશે. જ્ઞાનપ્રાપ્તિ જ તારે માટે સૌથી મહત્ત્વની બાબત છે; સર્વ સંપત્તિને ભોગે પણ સમજ પ્રાપ્ત કર. જ્ઞાનને મહામૂલું ગણ એટલે તે તને ઉન્‍નન કરશે. જો તું તેને વળગી રહીશ તો તે તને ગૌરવ અપાવશે. તે તારા શિર પર યશકલગી ચડાવશે; અને તારા માથા પર સુશોભિત મુગટ પહેરાવશે.” મારા પુત્ર મારું સાંભળ અને મારી સલાહ સ્વીકાર, તેથી તારું આયુષ્ય દીર્ઘ થશે. હું તને જ્ઞાનનો માર્ગ બતાવું છું, અનેે તને પ્રામાણિક્તાના પંથે દોરી જાઉં છું. એ માર્ગમાં ચાલીશ તો કંઈ અવરોધ નડશે નહિ, અને દોડીશ તો પણ ઠોકર ખાઈશ નહિ. તેં સ્વીકારેલી શિસ્તમાં દૃઢ થા અને મંદ પડીશ નહિ, તારા જીવની જેમ તેનું જતન કર. દુષ્ટોના માર્ગ પર તારો પગ માંડીશ નહિ, અને દુર્જનોનાં પગલાંમાં પગ મૂકીશ નહિ. એ માર્ગને ટાળ; એ તરફ ફરક્તો પણ નહિ. ત્યાં જઈ ચડયો હોય તો પાછો ફર. અને તારે માર્ગે જ આગેકૂચ કર. કારણ, દુષ્ટોને દુષ્કૃત્ય આચર્યા વિના ચેન પડતું નથી, અને કોઈ નિર્દોષને ન ફસાવે તો તેમની ઊંઘ ઊડી જાય છે. કારણ, દુષ્ટતા જ તેમનો આહાર છે, અને હિંસા તેમને માટે આસવ સમાન છે. નેકજનોનો માર્ગ પ્રભાતના પ્રથમ પ્રકાશ જેવો છે, જે મયાહ્ન સુધી ઉત્તરોત્તર વધતો જાય છે. પણ દુષ્ટોનો માર્ગ રાત્રિના ઘોર અંધકાર જેવો છે, તેઓ પડી જાય પણ શાથી ઠોકર લાગી તે સમજતા નથી. મારા પુત્ર, મારા શબ્દો ધ્યનથી સાંભળ, અને મારી વાત પ્રત્યે કાન ધર. તેમને તારી નજર આગળથી દૂર થવા ન દે; તેમને તારા દયના ઊંડાણમાં રાખ; એ શબ્દો તેમના સમજનારને માટે જીવનદાયક છે. અને તેના આખા શરીર માટે આરોગ્યદાયક છે. પૂરા ખંતથી મારા મનની ચોકી રાખ, કારણ, તેમાંથી જ જીવન ઉદ્ભવે છે. તારી વાણીમાં કંઈ કપટ હોવું જોઈએ નહિ, અને જૂઠા અને અપ્રામાણિક શબ્દો તારા હોઠોથી દૂર રાખ. તારી આંખો માર્ગ તરફ સીધેસીધું જુએ, અને એકીટશે સામી દિશાએ તાકી રહે. ચોક્સાઈપૂર્વકના આયોજનથી તારાં કાર્યો કર; એટલે, તને તારાં કાર્યોમાં સફળતા મળશે. તારા યેયથી જમણી કે ડાબી તરફ લેશમાત્ર ફંટાતો નહિ, અને તારાં પગલાં ભ્રષ્ટતાથી દૂર રાખ. મારા પુત્ર, મારા જ્ઞાન પ્રત્યે લક્ષ આપ; મારી વિવેકબુદ્ધિની વાતો પર ધ્યાન આપ. તેથી તું વિવેકબુદ્ધિ સાચવી રાખી શકીશ, અને તારા હોઠો વિદ્યા જાળવી રાખશે. ‘વ્યભિચારી’ સ્ત્રીના હોઠમાં મધ જેવી મીઠાશ ઝરે, અને તેનાં ચુંબનોમાં ઓલિવ તેલ જેવી સુંવાળપ લાગે; પણ અંતે તો તે કીરમાણી છોડના ઝેર જેવી ક્તિલ અને બેધારી તલવાર જેવી પ્રાણઘાતક નીવડે છે. તેના પગ તને મૃત્યુ પ્રતિ ઘસડી ડશે, અને તેનાં પગલાં છેક મૃત્યુલોક શેઓલ સુધી પહોંચાડે છે. તે જીવનદાયક માર્ગથી દૂર આડેઅવળે ભટકે છે, અને પોતે ક્યાં જાય છે તેની પણ તેને સમજ નથી. તેથી મારા પુત્ર, મારી વાત યાનપૂર્વક સાંભળ, અને મારી સૂચનાઓ કદી વીસરીશ નહીં. એવી સ્ત્રીથી તું દૂર રહેજે; તેના બારણે પણ ફરક્તો નહિ. નહિ તો તું તારી પ્રતિષ્ઠા ગુમાવીશ, અને ઘાતકીને હાથે તારો જીવ પણ ગુમાવીશ. અજાણ્યાઓ તારી મિલક્ત પડાવી લેશે, અને તારા પરિશ્રમની ઊપજ બીજાઓ પાસે જશે. અને અંતે તારા અવયવો અને શરીર ક્ષીણ થવાને લીધે તું તારી અવદશા માટે વિલાપ કરશે. અને કહેશે, “શા માટે મેં ઈશ્વરે ઠરાવેલી, શિસ્તનો તિરસ્કાર કર્યો? શા માટે મેં મારા મનમાં શિખામણની અવગણના કરી? મેં મારા ગુરુઓની વાણી પ્રત્યે લક્ષ આપ્યું નહિ, અને મારા શિક્ષકોની વાત પ્રત્યે ધ્યાન આપ્યું નહિ. હવે હું ભરસભામાં સજાપાત્ર ઠર્યો છું; સમાજમાં પૂરેપૂરો બદનામ થયો છું.” દાંપત્યસંબંધમાં તારી પત્નીને વફાદાર રહે, અને તેને જ તારા પ્રણયનું પાત્ર બનાવ. તારાથી અન્ય સ્ત્રીને થયેલાં બાળકો તારે કોઈ કામનાં નથી. તારાથી અન્ય સ્ત્રીને થયેલાં બાળકો નહિ, પણ તારી પોતાની પત્નીનાં બાળકો જ મોટાં થઈને તને સહાયરૂપ થશે. તારી પોતાની જ પત્ની સાથે સુખ ભોગવ, અને તારી યુવાનવયે જેને પરણ્યો તે તારી પત્ની સાથે આનંદ માણ. તારી પરિણીતા તને હરણી જેવી રૂપાળી અને મૃગલી જેવી નમણી લાગો; તેનાં સ્તનોથી તું સદા સંતોષ પામ, અને તેના પ્રેમમાં તું હંમેશા મસ્ત રહે. મારા પુત્ર, શા માટે તારે વ્યભિચારી સ્ત્રીના પ્રેમમાં મસ્ત થવું જોઈએ? શા માટે તારે વેશ્યાના ઉરને આલિંગન આપવું જોઈએ? કારણ, મનુષ્યના આચરણ પર ઈશ્વરની નજર છે, અને તેના સર્વ માર્ગો પર તે ચાંપતી નજર રાખે છે. દુષ્ટની દુષ્ટતા તેને પોતાને માટે જ ફાંદારૂપ છે. તે પોતાની જ પાપી જાળમાં સપડાઈ જાય છે. શિસ્તને અભાવે તે માર્યો જાય છે, અને તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી પડે છે. મારા પુત્ર, શું તું તારા પડોશીનો જામીન થયો છે? કે શું કોઈ અજાણ્યા માટે લેખિત બાંયધરી આપી છે? શું તું તારા બોલથી બંધાયો છે? શું તું તારા પોતાના વચનથી ફસાયો છે? તો મારા પુત્ર, તું એ માણસના સકંજામાં આવી ગયો છે; તો જલદી જા અને તને મુક્ત કરવા તેને નમ્રતાપૂર્વક આજીજી કર. તું તારી જાતને નિદ્રાવશ ન થવા દે; અરે, તારી આંખને આરામ પણ ન લેવા દે. પણ હરણી શિકારીના હાથમાંથી નાસી છૂટે, અને પંખી પારધીની જાળમાંથી છટકી જાય, તેમ તું સત્વરે આ બંધનમાંથી મુક્ત થઈ જા. ઓ આળસુ, તું કીડીઓ પાસે જઈને શીખ, તેમની જીવનચર્યા પરથી બોધપાઠ ગ્રહણ કર. કીડીઓને કોઈ નેતા હોતો નથી, તેમને કોઈ નાયક કે શાસક હોતો નથી; તોપણ તે ઉનાળામાં અનાજનો સંગ્રહ કરે છે, અને કાપણી વખતે ખોરાક એકત્ર કરે છે. આળસુ, તું ક્યાં સુધી પથારીમાં આળોટ્યા કરીશ? ક્યારે તું નિદ્રા તજીને ઊભો થઈશ? તું કહે છે, “થોડુંક વધારે ઊંઘી લેવા દો, એક ઝોકું ખાઈ લેવા દો; હું ટુંટિયું વાળીને જરાક આરામ કરી લઉં!” પણ તેથી દરિદ્રતા તારા પર લૂંટારાની જેમ અને કંગાલાવસ્થા સશ માણસની જેમ તૂટી પડશે. બદમાશ અને હરામખોર માણસો જૂઠાણાં ઓક્તા ફરે છે. તેઓ છેતરવા માટે આંખના મીંચકારા મારે છે, પગથી ઇશારા કરે છે, અને આંગળીથી નિર્દેશ કરે છે. તેમનાં વિકૃત મનમાં હંમેશા કુટિલ યોજનાઓ ઘડાતી હોય છે, અને તેઓ સર્વ સ્થળે ફાટફૂટ પડાવવા મથે છે. તેથી કશી ચેતવણી આપ્યા વિના આપત્તિ તેમના પર ત્રાટકશે, અને કોઈ ઉપાય વિના તેમનો અચાનક વિનાશ થશે. પ્રભુ છ બાબતોને ધિક્કારે છે, અને સાત બાબતો પ્રત્યે તેમને સખત નફરત છે. ગર્વિષ્ઠ આંખો, જૂઠું બોલનાર જીભ, નિર્દોષ જનોની હત્યા કરનાર હાથ, કુટિલ યોજનાઓ ઘડનાર હૃદય, અધમતા આચરવા દોડી જતા પગ, જૂઠાણાં પર જૂઠાણાં ઉચ્ચારતો સાક્ષી, અને સગાસંબંધીઓમાં ઝઘડાટંટા સળગાવનાર વ્યક્તિ, મારા પુત્ર, તારા પિતાની આજ્ઞાઓનું પાલન કર, અને તારી માતાએ આપેલા શિક્ષણનો ત્યાગ ન કર. તેમની આજ્ઞાઓ અને શિક્ષણને સદા તારા હૃદયમાં સાચવી રાખ, અને તેમને તારે ગળે પહેરી રાખ. તેમની શિખામણ તું ચાલતો હશે ત્યારે તને દોરશે, તું સૂતો હશે ત્યારે તારી ચોકી કરશે અને જ્યારે તું જાગીશ ત્યારે તને સલાહ આપશે. કારણ, તેમનું શિક્ષણ દીપક સમાન અને તેમની આજ્ઞાઓ પ્રકાશ સમાન છે, અને ઠપકો તથા શિસ્ત જીવનમાર્ગે દોરે છે. તે તને ચારિયહીન સ્ત્રીથી અને વેશ્યાના લોભામણા શબ્દોથી બચાવશે. તેમની ખૂબસૂરતીથી તું લલચાઈ જઈશ નહિ, અને તેમની આંખોના ઇશારાથી તું ફસાઈ નહિ. કેમ કે વેશ્યાને ચૂકવવાની કિંમત તો રોટલીના ટુકડા જેટલી નજીવી છે; પણ પરણેલી વ્યભિચારી સ્ત્રી તો જિંદગીનો ભોગ લે છે. જો કોઈ માણસ પોતાના ખોળામાં અંગારા લે, તો શું એનાં વસ્ત્રો સળગ્યા વગર રહે? જો કોઈ માણસ સળગતા અંગારા પર ચાલે, તો શું એના પગ દાઝયા વગર રહે? પરસ્ત્રી સાથે સમાગમ કરનારના એ જ હાલ થશે; એવું કરનાર સજા પામ્યા વિના રહેશે નહિ. કેવળ પોતાની ભૂખ ભાંગવા ચોરી કરતા ચોરને પણ શું લોકો ધિક્કારતા નથી? જ્યારે તે પકડાઈ જાય ત્યારે તેણે સાતગણું ભરપાઈ કરવું પડે છે. અરે, પોતાના ઘરમાંનું સર્વસ્વ આપી દેવું પડે છે. પણ વ્યભિચાર કરનાર તો અક્કલહીન છે; એવું કૃત્ય કરનાર પોતાનો જ વિનાશ નોતરે છે. તેને ફટકા પડશે અને તે અપમાનિત થશે; તેનું કલંક કદી ભૂંસાશે નહિ. કારણ, ઈર્ષાથી કોઇપણ પતિને ઝનૂન ચઢે છે, અને તેની વેરવૃત્તિમાં દયાને કોઈ સ્થાન નથી. તે કોઈ વળતર કે કિંમત સ્વીકારશે નહિ, તારી ઘણી ભેટસોગાદો પણ તેનો ક્રોધ શમાવી શકશે નહિ. મારા પુત્ર, મારા શબ્દોનું પાલન કર અને મારી આજ્ઞાઓ તારા મનમાં સંઘરી રાખ. મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે, અને મારા શિક્ષણનું આંખની કીકીની જેમ જતન કર, તેમને સદા તારી આંગળીઓ પર બાંધ; તેમને તારા દયપટ પર અંક્તિ કર. જ્ઞાનને તારી સગી બહેન તરીકે અને વિવેકબુદ્ધિને તારા ઘનિષ્ઠ મિત્ર તરીકે સ્વીકાર. તેઓ તને ‘વ્યભિચારી’ સ્ત્રીથી અને લોભામણી વાતો કરનાર વેશ્યાથી બચાવશે. એકવાર હું મારા ઘરની બારીએથી નિહાળતો હતો, અને જાળીમાંથી બહાર જોઈ રહ્યો હતો. ત્યારે મેં કેટલાક અબુધ યુવાનોને જોયા, અને તેમાંથી એક અક્કલહીન યુવાન તરફ મારું ખાસ ધ્યાન ખેચાયું. શેરીના ખૂણામાં રહેતી એવી એક સ્ત્રીના ઘરના વળાંક પાસેથી તે પસાર થતો હતો. ત્યારે સંયાનો સમય થયો હતો, અને રાત્રિનો અંધકાર ફેલાઈ રહ્યો હતો. તે સ્ત્રી તેને ત્યાં જ મળી; તે વેશ્યાનાં વસ્ત્રોમાં સજ્જ હતી અને તેના મનમાં કપટ હતું. તે નફફટ અને નિર્લજ્જ સ્ત્રી હતી, અને હંમેશા આમતેમ ભટક્તી રહેતી. ક્યારેક શેરીમાં, તો ક્યારેક ચોકમાં, તો કોઈ ખૂણામાં શિકારની શોધમાં ઊભી રહેતી. તે સ્ત્રીએ પેલા યુવાનને આલિંગન આપીને ચુંબન કર્યું અને તેને ઉદ્દેશીને નિર્લજ્જતાપૂર્વક કહ્યું, “મારે ઘેર સંગતબલિનો મારો હિસ્સો પડયો છે; કારણ, આજે જ મેં મારી માનતાઓ પૂરી કરી છે. તેથી હું તને મળવા માટે બહાર નીકળી હતી, હું તને શોધવા આવી હતી અને તું અહીં જ મળી ગયો! મેં મારા પલંગ પર ભરત ભરેલા ગાલીચા અને ઇજિપ્તી સૂતરની રંગીન ચાદર બિછાવેલ છે. મારી પથારી બોળ, અગર તથા તજનાં અત્તરોથી સુવાસિત બનાવી છે. ચાલ, આપણે સવાર સુધી ધરાઈને પ્રણય કરીએ, અને આખી રાત પ્રેમની મઝા માણીએ. કારણ, મારા પતિ ઘેર નથી, તે દૂર મુસાફરીએ ગયા છે. તે પોતાની સાથે નાણાંની થેલી લઈ ગયા છે અને બે સપ્તાહ એટલે પૂનમ સુધી પાછા ફરવાના નથી.” આમ, પોતાનાં ઘણાં પ્રલોભનોથી તેણે તેને લલચાવ્યો, અને પોતાના મોહક શબ્દોથી તેને ફોસલાવ્યો, એટલે તે તરત તેની સાથે ગયો. ક્તલ માટે લઈ જવાતા આખલાની જેમ, અને જેનું કાળજું અંતે તીરથી વિંધાય છે એવા જાણીબૂઝીને ફાંદામાં કૂદતા હરણની જેમ, તે જાય છે. તે યુવાન જાળમાં સપડાતા પક્ષીના જેવો છે; તેને ખબર નથી કે તેની જિંદગી જોખમમાં છે. *** તેથી મારા પુત્ર, મારી વાત સાંભળ, અને મારા શબ્દો પર લક્ષ આપ. એવી સ્ત્રીને મળવાનો વિચાર સરખો કરીશ નહિ, અને તેના ઘરના માર્ગ તરફ ફરક્તો પણ નહિ. કારણ, ઘણા પુરુષો તેના શિકારનો ભોગ બન્યા છે, અને તેણે અસંખ્ય માણસોના જીવ લીધા છે. તેના ઘરનો માર્ગ તો મૃત્યુલોક શેઓલનો માર્ગ છે, અને મૃત્યુલોકના ઓરડાઓમાં પહોંચાડે છે. સાંભળો, જ્ઞાન પોકાર પાડે છે, અને વિવેકબુદ્ધિ ઊંચે સાદે બોલાવે છે. રસ્તા પાસેના ટેકરાની ટોચે, ચાર રસ્તાના સંગમસ્થાને જ્ઞાન ઊભું છે. તે નગરના પ્રવેશદ્વારે દરવાજા નજીક, અને ઘરના ઊંબરેથી મોટેથી પોકારે છે. “હે લોકો, હું તમને સૌને ઉદ્દેશીને કહું છું; હું સમસ્ત માનવજાતને પોકાર પાડું છું. ઓ અબુધો, તમે ચતુર બનો; ઓ મૂર્ખાઓ, તમે સમજણ પ્રાપ્ત કરો. સાંભળો, કારણ કે મારે તમને ઉમદા વાતો કહેવાની છે, અને હું યથાયોગ્ય વાતો જ કહી બતાવીશ. હું માત્ર સત્ય જ ઉચ્ચારીશ, અને જૂઠી બોલી મને ધિક્કારપાત્ર લાગે છે. મારી પ્રત્યેક વાત હું પ્રામાણિક્તાપૂર્વક કહું છું; તેમાં કંઈ જ વાંકું કે વિપરીત નથી. સમજદાર વ્યક્તિ માટે તે સાવ સીધી વાત છે, અને જાણકાર માણસ માટે તે સાવ સરળ વાત છે. ચાંદી નહિ, પણ મારું શિક્ષણ અપનાવો, અને ચોખ્ખું સોનું નહિ, પણ વિદ્યા પસંદ કરો. કેમકે જ્ઞાન કિમતી રત્નો કરતાં ચડિયાતું છે; જ્ઞાન કરતાં વિશેષ ઇચ્છવાજોગ બીજી કોઈ વસ્તુ નથી. હું જ્ઞાન છું, ચતુરાઈ મારી સાથે જ વસે છે; વિદ્યા અને પારખશક્તિ મારી પાસેથી મળે છે. ભૂંડાઈ પ્રત્યે ધિક્કાર એ જ પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર છે; હું અહંકાર, તુમાખી, દુરાચરણ તથા કપટી વાણીને ધિક્કારું છું. મારી પાસે સાચી સલાહ અને વ્યવહારું જ્ઞાન છે; મારી પાસે સૂઝસમજ અને શક્તિ છે. મારા વડે જ રાજાઓ રાજ ચલાવે છે, અને રાજવીઓ સારા કાયદાઓ ઘડે છે. મારા વડે જ શાસકો શાસન ચલાવે છે, અને અધિકારીઓ અમલ ચલાવે છે. મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ કરું છું, અને મને ખંતથી શોધનારને હું જડું છું. સંપત્તિ અને કીર્તિ, કાયમી ધન અને સફળતા હું જ બક્ષું છું. મારું પ્રતિફળ ઉત્કૃષ્ટ સોના કરતાં અને મારું વળતર શુદ્ધ ચાંદી કરતાં ચડિયાતું છે. હું નેકીના માર્ગમાં ચાલું છું, અને ન્યાયના માર્ગને અનુસરું છું. મારા પર પ્રેમ રાખનારને હું સંપત્તિ બક્ષું છું, અને તેમના ખજાના ભરી દઉં છું. સૃષ્ટિસર્જનના આરંભે પોતાનાં સર્વ કાર્યો પહેલાં પ્રભુએ મને ઉત્પન્‍ન કર્યું. યુગો પહેલાં, આદિકાળે, સૃષ્ટિ સર્જાઈ તે પહેલાં મારી સ્થાપના થઈ હતી. મારો જન્મ થયો ત્યારે જળનિધિઓય નહોતા, કે જળસભર ઝરાઓય નહોતા. પર્વતો તેમના પાયામાં ગોઠવાયા તે પહેલાં, અને ડુંગરાઓ પહેલાં મારો જન્મ થયો હતો. ઈશ્વરે પૃથ્વી, ખેતરો અને ભૂમિની માટી સર્જ્યાર્ં તે પહેલાં મારું અસ્તિત્વ હતું. ઈશ્વરે આકાશને સ્થાપિત કર્યું અને મહાસાગરોની ચોગરદમ મર્યાદા ઠરાવી ત્યારે પણ મારી હયાતી હતી. જ્યારે તેમણે આકાશમાં વાદળો જમાવ્યાં, અને જળનિધિનાં ઝરણાં વહાવ્યાં ત્યારે હું ત્યાં હાજર હતું. સમુદ્રો તેમની મર્યાદા ઓળંગે નહિ તે માટે ઈશ્વરે સમુદ્રોની સીમા ઠરાવી ત્યારે, અને તેમણે પૃથ્વીના પાયા આંકયા ત્યારેય એક કુશળ સ્થપતિ તરીકે હું તેમની સાથે હતું. હું પ્રતિદિન તેમને પ્રસન્‍ન રાખતું અને સદા તેમની સમક્ષ આનંદ માણતું. *** વસ્તીવાળી પૃથ્વીથી હું હર્ષ પામતું હતું, અને માનવજાતથી મને આનંદ થતો. હવે પુત્રો, મારી વાત સાંભળો, મારી આજ્ઞાઓ પાળનાર ધન્યવાદને પાત્ર છે. શિખામણ સાંભળીને જ્ઞાની બનો; તેની ઉપેક્ષા કરશો નહિ. મારા ઘરના પ્રવેશદ્વારે પ્રવેશ માટે પ્રતિદિન પ્રતીક્ષા કરનાર, અને મને યાનપૂર્વક સાંભળનાર સુખી થાય છે. જેઓ મને પ્રાપ્ત કરે છે તેમને જીવન પ્રાપ્ત થાય છે, અને પ્રભુ તેમના પર પ્રસન્‍ન થાય છે. પણ મારાથી વંચિત રહેનાર પોતાની જાતનું જ નુક્સાન વહોરી લે છે, અને મને ધિક્કારનાર મોત પસંદ કરે છે.” જ્ઞાને પોતાનું નિવાસસ્થાન બાંધ્યું છે, તેણે સાત સ્તંભ કોતરી કાઢયા છે. તેણે મિજબાની માટે પશુ કાપ્યાં છે, મસાલેદાર દ્રાક્ષાસવ બનાવ્યો છે અને ભોજન તૈયાર કર્યું છે. તે પોતાની દાસીઓને મોકલીને નગરના ઊંચા સ્થાનેથી જાહેર કરે છે: “હે અબુધો, મારે ત્યાં આવો,” અને અજ્ઞાનીઓને આમંત્રણ આપે છે, “મારે ઘેર જમવા આવો અને મારો મસાલેદાર દ્રાક્ષાસવ પીઓ. *** મૂરખોની સોબત તજો અને ભરપૂર જીવન જીવો અને સમજને માર્ગે ચાલો.” ઉદ્ધતોને સુધારવાનો પ્રયત્ન કરનાર અપમાનિત થાય છે; દુષ્ટોને ઠપકો દેનાર નુક્સાન વહોરે છે. ઉદ્ધતને કદી ઠપકો ન દે, નહિ તો તે તારો તિરસ્કાર કરશે, પણ જ્ઞાનીને ઠપકો દે, એટલે તે તારા પર પ્રેમ કરશે. જ્ઞાનીને શિક્ષણ આપ એટલે તે વધુ જ્ઞાની થશે; નેકજનને શીખવ એટલે તેની વિદ્વતામાં વૃદ્ધિ થશે. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યાપ્રાપ્તિનો આરંભ છે, અને પરમપવિત્ર ઈશ્વર વિષેનું જ્ઞાન એ જ વિવેકબુદ્ધિ છે. ઈશ્વરજ્ઞાનથી તારા આયુષ્યની વૃદ્ધિ થશે, અને તારા આવરદાનાં વર્ષોમાં વધારો થશે. તારી પાસે જ્ઞાન હશે તો તેથી તને જ લાભ થશે, પણ તું ઉદ્ધતાઈથી વર્તીશ તો તારે જાતે તેનું પરિણામ ભોગવવું પડશે. પણ મૂર્ખાઈ તો ચંચળ, નિર્લજ્જ અને અજ્ઞાન સ્ત્રી સમાન છે. તે પોતાના ઘરના બારણે અથવા નગરના ઊંચાં સ્થાને આસન જમાવે છે, અને ત્યાંથી પસાર થનારાઓને અને પોતાને માર્ગે સીધા ચાલ્યા જતા રાહદારીઓને પોકાર પાડીને બોલાવે છે: “હે અબુધો, મારે ત્યાં આવો.” તે મૂર્ખોને ઉદ્દેશીને કહે છે: “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઈને ખાધેલો ખોરાક વધુ સ્વાદિષ્ટ લાગે છે.” પણ તેનું આમંત્રણ સ્વીકારનારને ખબર નથી કે તેનું ઘર મૃતાત્માઓનો વાસ છે, અને તેના મહેમાનો સીધા મૃત્યુલોક શેઓલના ઊંડાણમાં ઊતરનારા છે. આ શલોમોન રાજાનાં સુભાષિતો છે: જ્ઞાની પુત્ર પોતાના પિતાને આનંદ પમાડે છે; પણ મૂર્ખ પુત્ર પોતાની માતાને માટે દુ:ખદાયક છે. ભ્રષ્ટાચારથી ભેગા કરેલા ધનથી ભલું થતું નથી, પણ નેકી મૃત્યુના મુખમાંથી ઉગારી શકે છે. પ્રભુ નેકજનને ભૂખે મરવા દેશે નહિ; પણ તે દુષ્ટોની લાલસા ધૂળમાં મેળવે છે. આળસુ હાથ ગરીબી નોતરે છે, પણ ઉદ્યમી હાથ આબાદી લાવે છે. લણણી વખતે અનાજનો સંગ્રહ કરનાર પુત્ર દૂરંદેશી ગણાય છે; પણ કાપણીની મોસમમાં સૂઈ રહેનાર પુત્ર કલંક લગાડે છે. નેકજનોને લોકો આશિષ આપે છે, પણ દુષ્ટોની વાણી હિંસાભરી હોય છે. નેકજનોનું સ્મરણ આશીર્વાદિત હોય છે, પણ દુષ્ટોના નામનું નિકંદન થઈ જાય છે. શાણો માણસ આજ્ઞા માથે ચડાવે છે, પણ સામી દલીલો કરનાર મૂર્ખ પાયમાલ થશે. સદાચારી સલામતી અનુભવે છે, પણ દુરાચારી પકડાઈ જાય છે. આંખ આડા કાન કરનારા મુસીબતો ઊભી કરે છે, પણ નિખાલસ દયે ઠપકો દેનાર શાંતિ સ્થાપે છે. નેકજનોની વાણી જીવનનું ઝરણું છે, પણ દુષ્ટોની વાણી હિંસાભરી હોય છે. ધૃણાથી ઝઘડા પેદા થાય છે, પણ પ્રેમ બધા દોષોની દરગુજર કરે છે. સમજુ માણસની વાતો જ્ઞાનયુક્ત હોય છે, પણ અક્કલહીન માટે તો શિક્ષાની સોટી હોય છે, જ્ઞાનીજનો તેમની વિદ્યાનું પ્રદર્શન કરતા નથી, પણ મૂર્ખના શબ્દો નાશ નોતરે છે. સંપત્તિવાનની સંપત્તિ તેને માટે ગઢ સમાન છે, પણ દરિદ્રતા દરિદ્રીનો નાશ કરે છે. નેકજનની કમાણી જીવવા માટે હોય છે, પણ દુષ્ટની કમાણી મૃત્યુ છે. શિસ્તમય આચરણ કરનાર જીવનના માર્ગે ચાલે છે, પણ શિખામણની અવજ્ઞા કરનાર તે માર્ગેથી ભટકી જાય છે. કપટી શબ્દોથી દ્વેષભાવ છુપાવનાર અને કૂથલી ફેલાવનાર મૂર્ખ છે. બહુ બોલવામાં અપરાધ થવાની સંભાવના વધારે હોય છે, પણ બોલવામાં સંયમ જાળવવામાં શાણપણ છે. નેકજનના શબ્દો શુદ્ધ ચાંદી સમાન હોય છે, પણ દુષ્ટના વિચારો નિરર્થક હોય છે. નેકજનના શબ્દો ઉન્‍નતિકારક નીવડે છે, પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈને લીધે માર્યો જાય છે. પ્રભુની આશિષથી સમૃદ્ધિ સાંપડે છે, અને ભારે પરિશ્રમથી તેમાં કશું ઉમેરી શક્તું નથી. બીભત્સ વર્તનથી મૂર્ખને આનંદ પ્રાપ્ત થાય છે, પણ સમજુને જ્ઞાનથી આનંદ મળે છે. નેકજનની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે, પણ દુષ્ટો જેનાથી ડરે છે તે વિપત્તિઓ જ તેમના પર આવી પડશે. વાવાઝોડું ફૂંકાશે ત્યારે દુષ્ટો હતા ન હતા થઈ જશે, પણ નેકજનોનો પાયો સદાકાળ ટકશે. જેમ દાંતને સરકો અને આંખને ધૂમાડો ત્રાસરૂપ હોય છે, તેમ આળસુ માણસ તેને કામ સોંપનાર માટે ત્રાસજનક હોય છે. પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરથી આયુષ્ય વધે છે, પણ દુષ્ટો અકાળે મોત પામે છે. નેકજનોની આકાંક્ષાઓ આનંદમાં પરિણમે છે, પણ દુષ્ટોની આશાઓ નિષ્ફળ જાય છે. પ્રભુ પ્રામાણિકજનોના રક્ષક છે, પણ તે દુરાચારીઓનો વિનાશ કરે છે. નેકજન હમેશાં અવિચળ રહેશે, પણ દુષ્ટો ધરતી પર કાયમ ટકશે નહિ. નેકજનનું બોલવું જ્ઞાનપ્રદ હોય છે, પણ કપટીને તો બોલતો જ બંધ કરવામાં આવશે. નેકજનના હોઠમાંથી ભલાઈ ટપકે છે, પણ દુષ્ટો તો કપટ ઓકે છે. પ્રભુ ખોટાં ત્રાજવાં વાપરનારને ધિક્કારે છે, પણ સાચાં વજનિયાં વાપરનારથી તે પ્રસન્‍ન થાય છે. અહંકાર આવે પછી અપકીર્તિ આવે છે, પણ નમ્ર થવામાં શાણપણ છે. સજજનો પ્રામાણિક્તાથી દોરવાય છે, પણ દગાબાજો પોતાના કૂડકપટથી નાશ પામશે. કોપને સમયે દોલત કશા કામમાં આવતી નથી, પણ નેકી જ માણસને મૃત્યુમાંથી ઉગારે છે. નેકી સદાચારીનું જીવન સરળ બનાવે છે, પણ દુષ્ટ પોતાની દુષ્ટતાથી જ પાયમાલ થાય છે. નેકી પ્રામાણિકજનને ઉગારે છે, પણ કપટી પોતાના લોભમાં ફસાઈ જાય છે. દુષ્ટની આકાંક્ષાઓ તેના મૃત્યુ સાથે જ લોપ થાય છે, અને તેણે પોતાના ધન પર બાંધેલો મદાર વ્યર્થ નીવડે છે. સદાચારી સંકટમાંથી ઉગરી જાય છે, પણ દુષ્ટ એ સંકટમાં સપડાય છે. નાસ્તિકની વાતોથી બીજાનો વિનાશ થાય છે, પણ નેકજનની વિદ્યા તેને બચાવી લે છે. નેકજનોની આબાદીમાં આખું નગર હરખાય છે, પણ દુષ્ટોનો નાશ થાય ત્યારે લોકો હર્ષનાદ કરે છે. સદાચારીની આશિષથી નગરની ઉન્‍નતિ થાય છે, પણ દુષ્ટોના શબ્દોથી તેનો ઉચ્છેદ થાય છે. બીજાઓને ઉતારી પાડનાર અક્કલહીન છે, પણ સમજુ માણસ મૌન જાળવે છે. કૂથલીખોર ખાનગી વાતો જાહેર કરે છે, પણ વિશ્વાસપાત્ર જન રહસ્ય સાચવે છે. યોગ્ય નેતાગીરીના અભાવે પ્રજાનું પતન થાય છે, પણ પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે. અજાણી વ્યક્તિનો જામીન થનાર પસ્તાય છે, પણ જામીન થવાનો નકાર કરનાર નિશ્ર્વિંત રહે છે. સુશીલ સ્ત્રી સન્માન પામે છે, પણ દુર્ગુણી સ્ત્રી નામોશી વહોરી લે છે. બીકણ માણસને સંપત્તિ સાંપડશે નહિ, પણ સાહસિક માણસ સંપત્તિ પ્રાપ્ત કરશે. દયા દર્શાવનાર પોતાનું જ હિત કરે છે, પણ નિર્દય માણસ પોતાને જ ઘાયલ કરે છે. દુષ્ટોની કમાણી ઠગારી નીવડે છે, પણ નેકી વાવનારને ઉત્તમ પુરષ્કાર મળે છે. નેક આચરણ કરવાને કટિબદ્ધ થનાર ભરપૂર જીવન સંપાદન કરશે, પણ ભૂંડાઈની પાછળ પડનાર મૃત્યુને શરણ થશે. પ્રભુ કુટિલ મનવાળાને ધિક્કારે છે, પણ તે સદાચારીથી પ્રસન્‍ન થાય છે. ખાતરી રાખજો કે દુષ્ટોને શિક્ષા થશે જ, પણ નેકજનો ઉગારી લેવાશે. વિવેક વગરની સ્ત્રીનું સૌંદર્ય ભૂંડના નાકમાંની સોનાની નથણી સમાન છે. નેકજનોની આકાંક્ષાઓની પરિપૂર્તિ કલ્યાણકારી હોય છે, પણ દુષ્ટો તો કોપની જ આશા રાખી શકે. કેટલાક છૂટે હાથે વેરે તોય ધનવાન બને છે. જ્યારે કેટલાક કરક્સર કર્યા કરે તો ય વધુ ગરીબ બની જાય છે. ઉદારતા દાખવનાર તેનો બદલો પામશે, “તું કોઈકને પાણી પીવડાવીશ તો કોઈક તને ય પાશે.” અનાજનો સંગ્રહ કરનાર પર લોકો શાપ વરસાવે છે, પણ અનાજ વેચવા કાઢનારને લોકો આશીર્વાદ આપે છે. ખંતથી ભલું કરનાર સદ્ભાવના પ્રાપ્ત કરશે, પણ ભૂંડાઈ આચરનારને ભૂંડાઈ જ મળશે. પોતાના ધન પર ભરોસો રાખનાર પાનખરનાં પાનની જેમ ખરી પડશે, પણ નેકજનો વસંતનાં પર્ણોની જેમ ખીલી ઊઠશે. પોતાના કુટુંબને દુ:ખી કરનાર વા ખાતો રહેશે, અને મૂર્ખ જ્ઞાનીનો ગુલામ બનશે. નેક આચરણનું ફળ એ જીવનનું વૃક્ષ છે, પણ જ્ઞાની જિંદગીઓ ઉગારી લે છે. નેકજનને આ પૃથ્વી પર જ પુરસ્કાર મળે છે; એટલે દુષ્ટો તથા પાપીઓને અહીં જ બદલો ચૂકવાશે એ કેટલું સચોટ છે! વિદ્યા પર પ્રીતિ રાખનાર શિસ્ત પણ ચાહે છે; ઠપકાને ધિક્કારનાર મૂર્ખ છે. સજ્જન પ્રભુની કૃપા મેળવે છે, પણ કપટીને ઈશ્વર દોષિત ઠરાવે છે. દુષ્ટ આચરણથી માણસ સ્થિર થશે નહિ, પણ નેકજનોનાં મૂળ ઉખેડી શકાશે નહિ, ચારિયશીલ પત્ની તેના પતિ માટે ગૌરવના મુગટ સમાન છે, પણ નિર્લજ્જ પત્ની તેનાં હાડકાંના સડા સમાન છે. નેકજનોના ઇરાદાઓ નેક હોય છે, પણ દુષ્ટોની સલાહ કુટિલ હોય છે. દુષ્ટોની વાણી જીવલેણ ફાંદો છે, પણ સદાચારીની વાણી ઉગારનારી હોય છે. દુષ્ટોનું પતન થાય ત્યારે તેઓ હતા ન હતા થઈ જાય છે, પણ નેકજનનું કુટુંબ ટકી રહે છે. માણસ પોતાની જ્ઞાનયુક્ત વાણીથી પ્રશંસા પામે છે, પણ ગૂંચવાડો પેદા કરનાર તિરસ્કાર પામે છે. મોટાઈનો દેખાવ કરી ભૂખે મરવું, એના કરતાં સામાન્ય જન તરીકે રોજી રળવી એ વધુ સારું છે. નેકજન પોતાનાં પશુઓની પણ દરકાર લે છે, પણ દુષ્ટોના દયાભાવમાં પણ ક્રૂરતા હોય છે. પોતાની જમીન પર જરૂરી પરિશ્રમ કરનારને મબલક પાક મળે છે, પણ વ્યર્થ કલ્પનાઓમાં રાચનાર અણસમજુ છે. દુષ્ટોના કિલ્લાઓ જમીનદોસ્ત થશે, પણ નેકજનોનાં મૂળ દઢ રહે છે. દુષ્ટો પોતાનાં જૂઠાણાની જાળમાં સપડાય છે, પણ નેકજનો સંકટમાંથી માર્ગ શોધી કાઢે છે. માણસ યોગ્ય વાણીથી સારાં વાનાં પ્રાપ્ત કરે છે, અને તેના હાથની મહેનતના પ્રમાણમાં વેતન મેળવે છે. મૂર્ખ હંમેશાં પોતાની વાત સાચી માને છે, પણ જ્ઞાની સારી સલાહ સાંભળે છે. મૂર્ખ સહેજમાં ગુસ્સે થઈ જાય છે, પણ શાણો અપમાનને ગળી જાય છે. સાચી સાક્ષી આપનાર ન્યાયનું કામ સરળ બનાવે છે, પણ જૂઠી સાક્ષી આપનાર પોતાનું કપટ પ્રગટ કરે છે. વગર વિચાર્યા બોલ તલવારના જેવા ઘા કરે છે, પણ જ્ઞાનીના શબ્દો રુઝ લાવે છે. સત્યભાષી હોઠની સત્યતા શાશ્વત છે, પણ જૂઠાબોલી જીભનું જૂઠ પલકભર ટકે છે. કાવતરાખોરોના મનમાં કપટ હોય છે, પણ શાંતિની હિમાયત કરનારાઓના મનમાં આનંદ હોય છે, નેકજનોને કંઈ નુક્સાન થશે નહિ; પણ દુષ્ટોને પારાવાર હાનિ થશે. પ્રભુ જૂઠું બોલનારને ધિક્કારે છે, પણ તે સત્યભાષકોથી પ્રસન્‍ન થાય છે. શાણો માણસ પોતાના જ્ઞાનને ઢાંકે છે, પણ મૂર્ખ પોતાના અજ્ઞાનનો ઢંઢેરો પીટાવે છે. ખંતથી પરિશ્રમ કરનાર બઢતી પ્રાપ્ત કરે છે, પણ આળસુએ તો વેઠ જ કરવાની હોય છે. મનની ચિંતા માણસને હતાશ કરે છે, પણ પ્રોત્સાહનના શબ્દો તેને આનંદિત કરે છે. નેકજન વિપત્તિમાંથી ઊગરી જાય છે, પણ દુષ્ટને તેનું આચરણ વિનાશમાં દોરી જાય છે. આળસુ શિકારી શિકાર પ્રાપ્ત કરતો નથી, પણ ઉદ્યમીને અઢળક ખજાનો મળે છે. નેકીના માર્ગમાં જીવન છે; એ માર્ગે ચાલવામાં મરણ નથી. શાણો પુત્ર પિતાની શિખામણ માને છે, પણ ઉદ્ધત પુત્ર ઠપકાની ઉપેક્ષા કરે છે. યોગ્ય વાણીથી માણસ સારાં વાનાં પ્રાપ્ત કરે છે, પણ કપટી લોકો હિંસાખોરીના ભૂખ્યા હોય છે. સાવચેતીપૂર્વક બોલનાર પોતાનો જીવ બચાવે છે પણ બેફામપણે બોલનાર પોતાનું પતન નોતરે છે. આળસુની લાલસા પરિપૂર્ણ થતી નથી, પણ ઉદ્યમી જનની આકાંક્ષા સંતોષાશે. નેકજન જૂઠાણાને ધિક્કારે છે, પણ દુષ્ટની વાણી શરમજનક અને ઘૃણાસ્પદ હોય છે. નેકી નિર્દોષ માણસોનું રક્ષણ કરે છે, પણ દુષ્ટતા પાપીઓનો નાશ કરે છે. કેટલાક શ્રીમંતાઈનો ડોળ કરે છે, પણ વાસ્તવમાં તેમની પાસે કશું હોતું નથી; કેટલાક ગરીબીનો દેખાવ કરે છે; પણ તેમની પાસે અઢળક સંપત્તિ હોય છે. ધનવાને પોતાનો જીવ બચાવવા ધન આપવું પડે છે, પણ ગરીબને કોઈ એવી ધમકી આપતું નથી. નેકજનોનો પ્રકાશ આનંદપ્રદ હોય છે, જ્યારે દુષ્ટોનો દીવો ઓલવાઈ જશે. અહંકાર ઝઘડા જન્માવે છે, પણ સલાહશાંતિ શોધનાર પાસે જ્ઞાન હોય છે. ખોટી ઉતાવળથી મેળવેલું ધન ઝાઝું ટકતું નથી, પણ રફતે રફતે મહેનતથી રળેલું ધન વૃદ્ધિ પામે છે. આકાંક્ષા પૂરી થવામાં વિલંબ થવાથી મન ઝૂરે છે, પણ ફળીભૂત થયેલી આશા જીવનના વૃક્ષ સમાન છે. ચેતવણીની અવગણના કરનાર નાશ નોતરે છે, પણ આજ્ઞાપાલન કરનારને યોગ્ય બદલો મળે છે. જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે; તેના દ્વારા મૃત્યુના ફાંદામાંથી બચી જવાય છે. સમજુ જનોના શિષ્ટાચારથી સદ્ભાવના પ્રાપ્ત થાય છે, પણ કપટીઓનો વર્તાવ કઠોર હોય છે. શાણા માણસો પોતાનાં કામ વિચારપૂર્વક કરે છે, પણ મૂર્ખાઓ તેમની મૂર્ખતાનું પ્રદર્શન કરે છે. દુષ્ટ સંદેશક કટોકટી પેદા કરે છે, પણ વિશ્વાસપાત્ર રાજદૂત શાંતિ સ્થાપે છે. શિસ્તની ઉપેક્ષા કરનાર કંગાલ અને અપમાનિત થશે, પણ ઠપકો સ્વીકારીને શીખનાર સન્માન પામશે. સારી આકાંક્ષાની પરિપૂર્તિ આત્માને આનંદ પમાડે છે, પણ દુષ્ટતાનો ત્યાગ મૂર્ખોને કંટાળાજનક લાગે છે. જ્ઞાનીઓનો સત્સંગ કરનાર જ્ઞાની બને છે, પણ મૂર્ખોની સોબત પાયમાલી નોતરે છે. આપત્તિ પાપીઓનો પીછો કરે છે, પણ નેકજનોને સુખ સાંપડે છે. સજ્જ્નો પોતાના વંશજો માટે વારસો મૂકી જાય છે, પણ પાપીઓએ સંઘરેલી માલમતા નેકજનોને ફાળે આવશે. ગરીબોની પડતર જમીનમાં પૂરતું અનાજ પાકે છે, પણ એ પેદાશ પણ અન્યાયથી પચાવી પાડવામાં આવે છે. પોતાના પુત્રને શિક્ષા ન કરનાર પિતા તેનો દુશ્મન છે, પણ પુત્ર પર સાચો પ્રેમ રાખનાર તેને સમયસર શિક્ષા કરે છે. નેકજન પોતાની ક્ષુધા સંતોષવા પૂરતું જ આરોગે છે, પણ દુષ્ટોનું પેટ ભરાતું જ નથી. જ્ઞાની સ્ત્રીઓ પોતાનું ઘર બાંધે છે, પણ મૂર્ખ સ્ત્રીઓ પોતાને હાથે જ પોતાનું ઘર તોડી પાડે છે. પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર પ્રામાણિક આચરણ કરે છે; પણ ઈશ્વરની અવજ્ઞા કરનાર દુષ્ટ આચરણ કરે છે. મૂર્ખના અહંકારી શબ્દો તેને પીઠ પર સોટીના ફટકા ખવડાવે છે, પણ જ્ઞાનીના શબ્દો તેનું રક્ષણ કરે છે. ખેતી કરવા બળદો ન હોય ત્યાં કોઠારો ખાલી હોય છે, પણ મજબૂત બળદોના ઉપયોગથી મબલક પાક પાકે છે. વિશ્વાસુ સાક્ષી અસત્ય બોલશે નહિ; પણ જુઠ્ઠા સાક્ષીના મુખમાંથી જૂઠાણું વહે છે. ઉદ્ધત જ્ઞાન શોધવા પ્રયત્ન કરે છે, પણ પામતો નથી; પણ સમજુને તો સહેલાઈથી વિદ્યા પ્રાપ્ત થાય છે. મૂર્ખનો સંગ તજી દે, કારણ, તેના મુખમાં વિદ્યાની વાતો હોતી નથી. જ્ઞાનીની વિદ્વતા તેને શાણપણથી વર્તવા શીખવે છે; પણ મૂર્ખની મૂર્ખાઈ તેને ભુલાવામાં નાખે છે. મૂર્ખ પાપથી પાછા ફરવાની વાતને મજાકમાં ઉડાવે છે, પણ સજ્જનો પાપ માટે ઈશ્વરની ક્ષમા ચાહે છે. અંત:કરણ પોતે જ પોતાની વેદના જાણે છે; અને તેના આનંદમાં બીજું કોઈ ભાગીદાર થઈ શકતું નથી. દુષ્ટનું મકાન જમીનદોસ્ત થઈ જશે, પણ સજ્જનનો તંબૂ ટકી રહેશે. એક એવો માર્ગ છે જે માણસને સીધો લાગે, પણ અંતે તો તે મૃત્યુ તરફ દોરી જાય છે. હોઠ પર હાસ્ય હોય ત્યારે પણ હૃદય ખિન્‍ન હોઈ શકે, અને આનંદની સમાપ્તિ પછી પણ વેદના ટકી રહે છે. કુટિલ જનને તેનાં દુરાચરણનાં ફળ ભોગવવાં પડશે, પણ સદાચારીને તેનાં સત્કર્મોનું ફળ મળશે. અબુધ ગમે તે વાત સ્વીકારી લે છે, પણ ચતુર માણસ ચોક્સાઈપૂર્વક વર્તે છે. જ્ઞાની માણસ સાવધાનીપૂર્વક ભૂંડાઈથી દૂર રહે છે, પણ મૂર્ખ લાપરવાહીથી ઉતાવળિયાં પગલાં ભરે છે. ઝટ ક્રોધ કરનારા મૂર્ખાઈભર્યાં કાર્યો કરી બેસે છે, અને કપટીનો તિરસ્કાર થાય છે. અબુધો પોતાને મૂર્ખતાથી શણગારે છે, પણ ચતુરો પોતાના શિરને જ્ઞાનરૂપી મુગટથી સજાવે છે. દુર્જનોને સજ્જનોના ચરણે ઝૂકવું પડે છે, અને દુષ્ટોને નેકજનોના દરવાજે થોભવું પડે છે. ગરીબને એના મિત્રો પણ ટાળે છે, પણ ધનવાનને તો ઘણા ચાહકો હોય છે. ક્ષુધાતુર જનને ટાળવો એ પાપ છે, પણ ગરીબો પ્રત્યે ભલાઈ દર્શાવનાર આશિષ પામશે. શું કપટી ષડયંત્રો રચનારા જ ગેરમાર્ગે દોરવાતા નથી? પણ ભલાઈ કરનારને સન્માન અને વિશ્વાસપાત્રતા મળશે. સખત પરિશ્રમથી લાભ થાય છે, પણ ખાલી વાતો ગરીબીમાં ધકેલી દે છે. જ્ઞાનીઓનો મુગટ તેમનું જ્ઞાન છે, પણ મૂર્ખોની કંઠમાળા તેમની મૂર્ખામી જ છે. સત્યભાષક સાક્ષી ઘણા જીવ બચાવે છે, પણ કપટી જૂઠાણું ફેલાવે છે. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર માણસને દૃઢ વિશ્વાસ અને તેના કુટુંબને સલામતી બક્ષે છે. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર જીવનનું ઝરણું છે, તે માણસને મૃત્યુના પાશમાંથી બચાવે છે. રાજાની મહત્તા પ્રજાજનોની સંખ્યા પર અવલંબે છે; પ્રજા વિના રાજા હોઈ શકે જ નહિ. સમજદાર માણસ ઝટ ગુસ્સે થતો નથી, પણ ક્રોધી સ્વભાવવાળો પોતાની મૂર્ખતા પ્રગટ કરે છે. ચિત્તની શાંતિ શરીરને સ્વસ્થ રાખે છે, પણ ઈર્ષા હાડકાંના સડા સમાન છે. ગરીબો પર જુલમ ગુજારનાર પોતાના સર્જનહારનું અપમાન કરે છે; પણ કંગાલો પ્રત્યે દયા દર્શાવનાર ઈશ્વરને સન્માન આપે છે. દુષ્ટો તેમની દુષ્ટતાથી જ પતન પામે છે, પણ નેકજનની નિર્દોષતા તેનું રક્ષણ કરે છે. સમજુ માણસનું હૃદય જ્ઞાનપૂર્ણ હોય છે, પણ મૂર્ખાઓ જ્ઞાન વિષે તદ્દન અજ્ઞાત હોય છે. નેકી પ્રજાને મહાન બનાવે છે, પરંતુ પાપ કોઈપણ પ્રજા માટે કલંકરૂપ છે. કાર્યદક્ષ અધિકારીઓ પર રાજાની મહેર રહે છે, પણ કાર્યમાં નિષ્ફળ નીવડનાર અધિકારીઓને તે શિક્ષા કરે છે. સૌમ્ય ઉત્તર ક્રોધ શમાવે છે, પણ કઠોર શબ્દો ક્રોધાગ્નિ સળગાવે છે. જ્ઞાનીની જીભ જ્ઞાન પ્રદાન કરે છે, પણ મૂર્ખનું મુખ મૂર્ખાઈ ઓકે છે. પ્રભુની દષ્ટિ સર્વત્ર છે, તે ભલા અને ભૂંડાજનો પર લક્ષ રાખે છે. મૃદુવાણી ઉચ્ચારનાર જીભ જીવનદાયક વૃક્ષ સમાન છે; પણ કડવા શબ્દો મન ભાંગી. નાખે છે. પિતાની શિસ્તનો તિરસ્કાર કરનાર પુત્ર મૂર્ખ છે; પણ શિખામણ સ્વીકારનાર સમજુ છે. નેકજનના ઘરમાં વિપુલ સમૃદ્ધિ હોય છે, પણ દુષ્ટની કમાણી તેને માટે સંકટ લાવે છે. જ્ઞાનીઓની વાણી દ્વારા વિદ્યાનો ફેલાવો થાય છે, પણ મૂર્ખાઓના મનમાંથી અજ્ઞાન પ્રગટે છે. પ્રભુ દુષ્ટોનાં બલિદાનોને ધિક્કારે છે, પરંતુ સદાચારી પર માત્ર તેની પ્રાર્થનાથી પ્રસન્‍ન થાય છે. પ્રભુ દુર્જનોનાં દુરાચરણને ધિક્કારે છે, પણ નેકીને અનુસરનારને તે ચાહે છે. સાચો માર્ગ તજનારને શિક્ષા ભોગવવી પડશે, અને સુધરવાની ઉપેક્ષા કરનાર માર્યો જશે. પ્રભુની દષ્ટિ આગળ મૃત્યુલોક શેઓલ તથા નરક પણ ખુલ્લાં છે, તો માણસ પોતાનું મન તેમનાથી કેવી રીતે છુપાવી શકે. ઉદ્ધત વ્યક્તિને ટીકા ગમતી નથી; તેથી તે જ્ઞાનીનો સંગ પસંદ કરતો નથી. અંતરનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે, પણ દયની ગમગીનીથી મન ભાંગી પડે છે. સમજુજનો વિદ્યાપ્રાપ્તિ માટે તત્પર હોય છે, પણ મૂર્ખનું મુખ મૂર્ખતાનો આહાર આરોગે છે. દુ:ખીજનો માટે બધાય દહાડા દુ:ખના હોય છે, પણ આનંદી દિલવાળા સદા મહેફિલ માણે છે. વિપુલ ધન સાથે વિપત્તિમાં જીવવું તે કરતાં અલ્પ ધન હોય પણ પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર હોય તે ઉત્તમ છે. પ્રેમાળ લોકોની સંગતમાં શાકભાજી ખાવાં એ ઘૃણાખોર લોકોની સાથે મિષ્ટાન આરોગવા કરતાં ઉત્તમ છે. ઉગ્ર સ્વભાવના લોકો ઝઘડા ઊભા કરે છે; પણ ધૈર્યવાન લોકો કજિયા શાંત પાડે છે. આળસુનો માર્ગ કાંટાંથી ભરપૂર હોય છે, પણ સદાચારીઓનો માર્ગ સરળ હોય છે. જ્ઞાની પુત્ર પિતાને આનંદ પમાડે છે, પણ માત્ર મૂર્ખ જ પોતાની જનેતાને ધિક્કારે છે. અબુધો મૂર્ખાઈ આચરીને આનંદ મેળવે છે, પણ સમજુ સીધો સન્માર્ગે વિચરે છે. સલાહ મેળવ્યા વિના યોજનાઓ નિષ્ફળ જાય છે, પણ જ્યાં ઘણા સલાહકારો હોય ત્યાં સફળતા સાંપડે છે. પોતાની હાજરજવાબીથી માણસને આનંદ થાય છે, અને સમયોચિત વાણી કેવી યથાર્થ લાગે છે! જીવનનો માર્ગ જ્ઞાનીને ઉન્‍નતિમાં. લઈ જાય છે, અને તેને મૃત્યુલોક શેઓલના પતનથી બચાવે છે. પ્રભુ અહંકારીનું ઘર ભોંયભેગું કરી નાખે છે, પણ વિધવાની મિલક્તને સાચવે છે. પ્રભુ દુષ્ટ ઇરાદા ધિક્કારે છે, પણ તે નિખાલસ શબ્દો ચાહે છે. અન્યાયી માર્ગે નફો કરનાર પોતાના જ પરિવાર પર આફત લાવે છે, પણ લાંચ નકારનાર આબાદીમાં જીવશે. નેકજનો વિચારપૂર્વક ઉત્તર આપે છે, પણ દુષ્ટો કટુ વાણી વહેતી મૂકે છે. પ્રભુ નેકજનની પ્રાર્થના સાંભળે છે, પણ તે દુષ્ટોથી દૂર રહે છે. માયાળુ ચહેરો અંત:કરણને આનંદ પમાડે છે, અને સુખદ સમાચાર છેક હાડકાં સુધી તાજગી આપે છે. હિતકારક સુધારણા પ્રત્યે લક્ષ આપનાર ભરપૂર જીવન પામશે, અને તે જ્ઞાનીઓના સત્સંગમાં ભળી શકશે. શિક્ષણની ઉપેક્ષા કરનાર પોતાને તુચ્છ બનાવે છે, પણ સુધારણાનો અંગીકાર કરનાર સમજ પ્રાપ્ત કરે છે. પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરમાં જ્ઞાન અને શિસ્ત સમાયેલાં છે, અને સન્માન મેળવતાં પહેલાં વિનમ્ર બનવું આવશ્યક છે. માણસ મનમાં વિચારો ગોઠવે છે, પણ જીભનો ઉત્તર પ્રભુના હાથમાં છે. દરેક વ્યક્તિને તેનું પોતાનું આચરણ યોગ્ય લાગે છે, પણ પ્રભુ માણસના ઇરાદાઓ પારખે છે. પ્રભુની આધીનતામાં રહીને તારાં બધાં કાર્યો કર, એટલે તારી મનોકામના ફળીભૂત થશે. પ્રભુએ દરેક વસ્તુને કોઈ ને કોઈ હેતુસર બનાવી છે; દુષ્ટોને તો જાણે વિનાશના દિવસ માટે સર્જ્યા છે! પ્રભુ મનના બધા પ્રકારના અહંકારને ધિક્કારે છે, સાચે જ અહંકારીઓ શિક્ષા પામ્યા વિના રહેશે નહિ. પ્રભુના પ્રેમ અને વિશ્વાસુપણાને આધારે પાપનું પ્રાયશ્ર્વિત થાય છે, અને પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરથી માણસ ભૂંડાઈથી બચી જાય છે. જ્યારે કોઈ માણસના સદાચરણથી પ્રભુ પ્રસન્‍ન થાય, ત્યારે તે તેના શત્રુઓને પણ મિત્રોમાં ફેરવી નાખે છે. અન્યાયથી મેળવેલા અઢળક ધન કરતાં પ્રામાણિકપણે મેળવેલ અલ્પ આવક ઉત્તમ છે. માણસ મનથી પોતાની યોજના ઘડે છે, પરંતુ તેના પગને પ્રભુ જ દોરે છે. રાજાની વાણીમાં દિવ્ય અધિકાર હોય છે, તેથી તેના મુખથી અન્યાય થવો જોઈએ નહિ. ત્રાજવાં, તેનો કાંટો અને વજનિયાં અદલ હોય અને પ્રત્યેક વ્યવહાર પ્રામાણિક્તાથી થાય એમ પ્રભુ ઇચ્છે છે. રાજાને માટે દુષ્કર્મો ઘૃણાસ્પદ છે, કારણ, નેકી જ તેના રાજ્યને સ્થિર અને સલામત રાખે છે. સાચું બોલનારથી રાજા આનંદ પામે છે, અને સારું બોલનાર પ્રત્યે તે સદ્ભાવ દાખવે છે. રાજાનો ક્રોધ મૃત્યુના સંદેશક સમાન છે, પણ જ્ઞાની તેને શાંત પાડી શકે છે. રાજાની કૃપાદષ્ટિ જીવન પ્રદાન કરે છે, અને તેની મહેરબાની કાપણી સમયે આવતા પાછોતરા વરસાદના જેવી જીવનદાયક છે. સોના કરતાં જ્ઞાન પ્રાપ્ત કરવું સારું છે, ચાંદી કરતાં સમજ પ્રાપ્ત કરવી વધારે ઇચ્છવા યોગ્ય છે. સદાચારીનો ધોરીમાર્ગ ભૂંડાઈથી દૂર રહીને જાય છે; પોતાનાં પગલાં સંભાળનાર પોતાના જ જીવનની રક્ષા કરે છે. અહંકારનો અંજામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવ પાયમાલીમાં પરિણમે છે. જુલમગારોની લૂંટમાં હિસ્સો સ્વીકારવો, તે કરતાં જુલમપીડિતોની સાથે વિનમ્રતાથી વસવું ઉત્તમ છે. શિક્ષણ પ્રત્યે ધ્યાન આપનારનું હિત થશે, અને પ્રભુ પર ભરોસો રાખનાર સુખી થશે. જ્ઞાની અંતરવાળો માણસ તેની ઊંડી સમજ માટે પંક્ય છે; તેની મધુર વાણી તેના શિક્ષણને સ્વીકાર્ય બનાવે છે. સમજદાર માટે જ્ઞાન જીવનદાયક ઝરો છે, પણ મૂર્ખ માટે તેની મૂર્ખાઈ જ સજારૂપ છે. જ્ઞાનીનું હૃદય તેના મુખને શાણપણ આપે છે, અને તેથી તેની વાણી અસરકારક બને છે. માયાળુ શબ્દો મધની જેમ, સ્વાદમાં મીઠા અને શરીરને આરોગ્યપ્રદ હોય છે. એક એવો માર્ગ છે કે જે માણસને સાચો લાગે, પણ અંતે તો તે મૃત્યુ તરફ દોરી જાય છે. શ્રમજીવીનું પેટ તેને પરિશ્રમ કરવા પ્રેરે છે; કારણ, તે ખોરાકથી પોતાની ભૂખ સંતોષવા માગે છે. અધમ માણસ તરકટ રચે છે; તેના મુખમાં ભભૂક્તા અગ્નિ જેવા હાનિકારક શબ્દો છે. કુટિલજન ઝઘડા કરાવે છે; કાનભંભેરણી કરનાર મિત્રો વચ્ચે ફાટફૂટ પડાવે છે. ઘાતકી માણસ પોતાના મિત્રોને છેતરીને તેમને વિનાશને પંથે દોરી જાય છે. આંખ મિચકાવનાર કુટિલ યોજનાઓ ઘડે છે, અને હોઠ બીડનાર ષડયંત્રો રચે છે. માથે પળિયાં એ ગૌરવનો મુગટ છે, અને તે નેક આચરણનો પુરસ્કાર છે. ક્રોધ કરવે ધીમો હોય એવો માણસ બળવાન કરતાં સારો છે, અને નગર પર જીત મેળવવા કરતાં પોતાની જાત પર જીત મેળવવી વધુ ઉત્તમ છે. ઈશ્વરની ઇચ્છા જાણવા માણસો પાસાં નાખે છે; પણ નિર્ણય પ્રભુના હાથમાં છે. ઘરમાં મિજબાનીઓ હોય પણ સાથે કજિયાકંક્સ હોય, તે કરતાં લુખો રોટલો હોય પણ મનમાં શાંતિ હોય તે ઉત્તમ છે. ચતુર ચાકર પોતાના માલિકના નકામા પુત્રનો અધિકાર ભોગવશે અને તે અન્ય વારસદારો સાથે હિસ્સો મેળવશે. ચાંદી કુલડીમાં અને સોનું ભઠ્ઠીમાં ગળાય છે, પણ અંત:કરણની પારખ કરનાર તો ઈશ્વર છે. દુર્જન ભૂંડા શબ્દો પ્રત્યે લક્ષ આપે છે, અને જૂઠો માણસ નિંદા કરનાર જીભ તરફ કાન માંડે છે. ગરીબની મજાક કરનાર તેના સર્જનહારનો ઉપહાસ કરે છે, બીજાની આપત્તિની વેળાએ હસનારને ઈશ્વર જરૂર શિક્ષા કરશે. વૃદ્ધોની શોભા તેમનાં પૌત્રપૌત્રીઓ છે; એમ જ સંતાનોનું ગૌરવ તેમના પિતાઓ છે. મૂર્ખના મુખમાંથી ઉમદા વાણીની અપેક્ષા રાખી શકાય નહિ, અને મહાનુભાવોના મુખમાં જૂઠ શોભતું નથી. બક્ષિસ મેળવનારની દષ્ટિમાં બક્ષિસ મૂલ્યવાન મણિ જેવી હોય છે; દરેક બાજુએથી તે ઉત્તમ જણાય છે. અપરાધ ઢાંકનાર પ્રેમને ઉત્તેજન આપે છે, પણ અપરાધ યાદ કરાવ્યા કરવાથી ગાઢ મૈત્રી પણ તૂટે છે. મૂર્ખને સો ફટકા કરતાં, સમજુ માણસને એક ટકોર વધુ ઊંડી અસર કરે છે. દુષ્ટ માત્ર બંડ કરવાની પેરવીમાં હોય છે, પણ તેને ડામવા ક્રૂર સંદેશકને મોકલવામાં આવશે. મૂર્ખાઈમાં ચગેલા કોઈ મૂર્ખ કરતાં જેના બચ્ચાં છીનવાયાં હોય તેવી રીંછણનો સામનો કરવો એ સારું છે. ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળનારના ઘરમાંથી કદી હાનિ હટશે નહિ. ઝઘડાનો આરંભ બંધમાં પડેલી પ્રથમ તિરાડ જેવો છે; એ વધારે વિસ્તરે એ પહેલાં તેને પૂરી દો. દુષ્ટને નિરપરાધી જાહેર કરવો અને નિર્દોષને દોષિત ઠરાવવો, એ બન્‍ને કામ પ્રભુની દષ્ટિમાં ઘૃણાસ્પદ છે. શીખવાની સૂઝ ન હોય તેવા મૂર્ખ પાસે જ્ઞાનપ્રાપ્તિ માટે નાણાં હોય તે શા કામનાં? સાચો મિત્ર સર્વસમધ્યે મિત્રતા જાળવે છે, અને વિપત્તિકાળે મદદે આવવા માટે તો ભાઈ જન્મ્યો છે. અક્કલહીન માણસ જ વચનથી બંધાઈ જાય છે, અને તે જ બીજાનો જામીન થાય છે. અપરાધને ચાહનાર કજિયા નોતરે છે, અને પોતાના વૈભવનું પ્રદર્શન કરનાર વિનાશ વહોરે છે. કુટિલ માણસ આબાદ થશે નહિ, અને વાંકુ બોલનાર આફત વહોરી લે છે. મૂર્ખ પુત્ર પિતાના દુ:ખનું કારણ બને છે, અને નાદાનના પિતાને કશો જ આનંદ હોતો નથી. આનંદી સ્વભાવ એ ઉત્તમ ઔષધ છે, પણ ઘવાયેલું મન શરીરને સૂકવી નાખે છે. ભ્રષ્ટાચારી ન્યાયાધીશ ખાનગીમાં લાંચ લે છે, તેથી તે ન્યાયને ઊંધો વાળે છે. સમજુ માણસની દષ્ટિ જ્ઞાન પર મંડાયેલી હોય છે, પણ મૂર્ખ આમતેમ બધે ફાંફાં મારે છે. મૂર્ખ પુત્ર પિતાને માટે ખેદનજક અને જનેતાને માટે દુ:ખજનક હોય છે. નેકજનને દંડ કરવો અયોગ્ય છે, અને સજ્જનને તેની પ્રામાણિક્તાને લીધે ફટકારવો એ ગેરવાજબી છે. વિદ્વાન માણસ વાણી પર અંકુશ રાખે છે, અને સમજુ માણસ ઠંડા મિજાજનો હોય છે. અજ્ઞાની પણ ચૂપ રહે તો જ્ઞાનીમાં ખપે છે, અને મુખ બંધ રાખે ત્યાં સુધી તે સમજુ ગણાય છે. બીજાઓથી છૂટો પડનાર પોતાના જ સ્વાર્થમાં રત હોય છે. તે સર્વમાન્ય સાચા નિયમનો પણ વિરોધ કરે છે. ઉદ્ધત માણસને કશું સમજવામાં કોઈ રસ હોતો નથી; તેને તો માત્ર પોતાના આભિપ્રાયોનું પ્રદર્શન કરવું હોય છે. ભ્રષ્ટતા સાથે કલંક આવે છે, અને અપકીર્તિ સાથે અપમાન આવે છે. માણસની વાણી ઊંડા જલ સમાન ગૂઢ હોય છે; તે વહેતું ઝરણું અને જ્ઞાનનો તાજગીદાયક ઝરો છે. ન્યાય તોળતી વખતે દુષ્ટો પ્રત્યે પક્ષપાત દાખવવો, અને નેકજનોનો ન્યાય ઊંધો વાળવો એ વાજબી નથી. મૂર્ખની દલીલો સંઘર્ષ ઊભો કરે છે, અને તેનું મોં લપડાક માગે છે. મૂર્ખની વાણી જ તેના વિનાશનું કારણ બને છે, અને તે પોતાના જ શબ્દોની જાળમાં સપડાય છે. કૂથલીના બોલ સ્વાદિષ્ટ કોળિયા જેવા છે, તે અભ્યંતરમાં સરળતાથી ઊતરી જાય છે. પોતાનાં કાર્ય કરવામાં આળસ રાખનાર, વિનાશકના સગાભાઈ જેવો છે. યાહવેનું નામ મજબૂત કિલ્લો છે; નેકજન તેમાં શરણું લઈ સલામત રહે છે. ધનવાનોની દષ્ટિમાં તેમનું ધન કિલ્લેબંધ નગર જેવું છે; જે ઊંચા કોટની જેમ તેમનું રક્ષણ કરે છે. મનમાં ઘમંડ આવે એટલે માણસનું પતન થાય છે, અને સન્માન પામતાં પહેલાં નમ્ર થવું આવશ્યક છે. પૂરું સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ અને નામોશી છે. દઢ મનોબળથી બીમારી સહન કરી શકાય છે, પણ મન જ ભાંગી પડે તો તેને કોણ સાજું કરી શકે? વિચારશીલ મન વિદ્યા પ્રાપ્ત કરે છે, અને જ્ઞાનીના કાન વિદ્યા પ્રત્યે સરવા હોય છે. બક્ષિસ માણસ માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહાનુભાવોની હાજરીમાં પહોંચવાનું પણ શકાય બનાવે છે. અદાલતમાં પ્રતિવાદી પોતાની વાત રજૂ ન કરે ત્યાં સુધી વાદીની વાત પ્રથમ સાચી લાગે છે. જ્યારે બે સબળ પક્ષકારો વચ્ચે હિસ્સો વહેંચવામાં ઝઘડો થાય છે, ત્યારે ચિઠ્ઠી નાખીને ઝઘડાનો નિકાલ કરી શકાય છે. દુભાયેલા ભાઈને મનાવવો તે કિલ્લેબંધ નગરને જીતવા કરતાં મુશ્કેલ છે. તેની સાથેનો કજિયો કિલ્લાના મજબૂત દરવાજા જેવો છે. માણસ પોતાની વાણી પ્રમાણે પેટ ભરશે, અને હોઠની ઊપજથી સંતોષ પ્રાપ્ત કરશે. જીવન અને મૃત્યુ જીભ પર અવલંબે છે; જેવો જીભનો ઉપયોગ તેવાં તેનાં ફળ! સદ્ગુણી પત્ની મેળવનારને સુખ પ્રાપ્ત થાય છે; એ તો પ્રભુની કૃપાની નિશાની છે. ગરીબે કાલાવાલા કરવા પડે છે; પણ ધનવાનની વાણીમાં ઉદ્ધતાઈ હોય છે. ઘણા ખરા મિત્રોની મિત્રતા તૂટી જાય છે, પણ સાચો મિત્ર ભાઈ કરતાં વધુ નિકટનો સંબંધ જાળવે છે. જુઠ્ઠાબોલા ધનિક માણસ કરતાં પ્રામાણિક જિંદગી જીવતો ગરીબ ચડિયાતો છે. વિદ્યા વિનાનો ઉત્સાહ નકામો છે; એમ જ ઉતાવળે જવું અને માર્ગ ચૂકી જવો એ અર્થહીન છે. માણસ પોતાની મૂર્ખતાથી જ બરબાદ થાય છે; છતાં તે પાછો મનમાં ચિડાઈને પ્રભુને દોષ દે છે. ધનને લીધે અનેક નવા નવા મિત્રો થાય છે, પરંતુ કંગાલનો એક માત્ર મિત્ર પણ તેને તરછોડે છે. ખોટો આરોપ ચડાવનાર દંડાય છે, અને જૂઠાણું ઉચ્ચારનાર છટકી શક્તો નથી. ઘણા લોકો મહાનુભાવોની મહેરબાની ઝંખે છે, અને સૌ કોઈ બક્ષિસ આપનારનો મિત્ર થવા માગે છે. પરંતુ ગરીબને તો તેના ભાઈઓ પણ ધિક્કારે છે, અને તેના મિત્રો પણ તેનાથી દૂર રહે છે; મિત્રોને મનાવવા તે આજીજી કરે છે, પણ તે મિત્રોને મેળવી શક્તો નથી. જ્ઞાન સંપાદન કરનાર તેનું પોતાનું જ હિત કરે છે, અને સમજશક્તિ કેળવનાર સફળ થાય છે. અદાલતમાં જૂઠી સાક્ષી પૂરનારને સજા થશે, અને જુઠ્ઠાબોલો સાક્ષી નષ્ટ થઈ જશે. મૂર્ખને એશઆરામભર્યું જીવન પ્રાપ્ત થાય તે ઘટિત નથી; એમ જ ઉમરાવ પર ગુલામ અધિકાર ભોગવે એ અનુચિત છે. શાણો માણસ પોતાના ક્રોધને અંકુશમાં રાખે છે; અન્યના અપરાધની દરગુજર કરવી એમાં તેની શોભા છે. રાજાનો ક્રોધ સિંહની ગર્જના સમાન છે, પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ સમી તાજગીભરી છે. મૂર્ખ પુત્ર પિતાની બરબાદીનું નિમિત્ત બની શકે છે; કજિયાખોર પત્ની છતમાંથી સતત ટપક્તા પાણી જેવી ત્રાસદાયક છે. ઘર અને સંપત્તિ તો પૂર્વજો પાસેથી વારસામાં મળે છે, પણ સમજદાર પત્ની તો પ્રભુ તરફથી મળે છે. આળસુ પર છત તૂટી પડે છે, અને એદીને ભૂખમરો વેઠવો પડે છે. ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરનાર દીર્ઘાયુ પ્રાપ્ત કરશે; પોતાના આચરણ વિષે બેદરકાર રહેનાર મૃત્યુ પામશે. કંગાલોને ઉદારતાથી આપવું તે ઈશ્વરને ઉછીનું આપવા સમાન છે; પ્રભુ એ ઋણ પૂરેપૂરું પાછું ચૂકવી આપશે. આશા હોય ત્યાં સુધી તારા પુત્રને શિક્ષા કર, નહિ તો તું તેના નાશમાં ભાગીદાર બનીશ. ઝનૂનીએ પોતાના ક્રોધનું પરિણામ ભોગવવું જોઈએ; જો તું તેને તેમાંથી બચાવે તો તે વધુ બગડશે. સલાહ માન, અને શિખામણ સ્વીકાર કર; એટલે છેવટે તું જ્ઞાની થઈશ. માનવી મનમાં ઘણી યોજનાઓ ઘડે છે; પણ પ્રભુનો ઇરાદો જ કાયમ ટકશે. લોકો માણસમાં વફાદારીની અપેક્ષા રાખે છે, પણ તેઓ જૂઠા ધનિક કરતાં ગરીબને વધુ પસંદ કરશે. પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર જીવનદાયક છે, તે રાખનાર સંતોષમાં રહેશે, અને તેના પર આપત્તિ આવી પડશે નહિ. આળસુ ભોજનની થાળીમાં હાથ મૂકે છે તો ખરો, પણ તેને મુખ સુધી લાવવાની ઇચ્છા થતી નથી. ઉદ્ધતને શિક્ષા કરશો તો અબુધ પણ શાણપણ શીખશે અને સમજુને ટકોર કરશો તો તેની વિદ્યામાં વૃદ્ધિ થશે. માત્ર નિર્લજ્જ અને ઉદ્ધત પુત્ર જ પિતા પર હુમલો કરે અને માતાને ઘરમાંથી કાઢી મૂકે. મારા પુત્ર, જો તું શિસ્ત પ્રમાણે વર્તવાનું તજી દઈશ, તો તું તારી પ્રાપ્ત કરેલી વિદ્યા પણ વિસરી જઈશ. કુટિલ સાક્ષી ન્યાયની મજાક ઉડાવે છે, અને દુષ્ટોના મુખને અન્યાય સ્વાદિષ્ટ લાગે છે. તુમાખીખોર લોકો માટે સોટી અને મૂર્ખાઓની પીઠ માટે ફટકા હોય છે. દ્રાક્ષાસવ માણસને ઉદ્ધત બનાવે છે અને મદિરા ઝઘડા પેદા કરે છે; તેનાથી ચકચૂર થઈને લથડિયાં ખાનાર જ્ઞાની નથી. રાજાનો ક્રોધ સિંહની ગર્જના સમાન છે; તેને ક્રોધિત કરનાર પોતાના જીવને જોખમમાં મૂકે છે. ઝઘડાથી દૂર રહેવામાં માણસનું ગૌરવ જળવાય છે; પણ મૂર્ખજન કજિયા કરવા તત્પર હોય છે. મોસમ પ્રમાણે ખેડવામાં આળસ કરનાર કાપણીની વેળાએ પાક શોધશે, પણ તેને કંઈ પાક જોવા મળશે નહિ. માણસના મનના ઇરાદા ઊંડા જળ સમાન હોય છે, પણ સમજુ માણસ તેને બહાર કાઢી લાવશે. ઘણા માણસો મૈત્રીમાં વફાદારી દાખવ્યાનો દાવો કરે છે, પણ વફાદાર મિત્ર કોને મળે? નેકજન પ્રામાણિકપણામાં જીવન જીવે છે, તેને અનુસરનાર તેનાં સંતાનોને ધન્ય છે. રાજા પોતાના ન્યાયાસન પર બિરાજમાન થાય છે, અને તેની દષ્ટિ સઘળી દુષ્ટતાને પારખી લે છે, “મેં મારા દયને શુદ્ધ કર્યું છે, અને હું મારા પાપથી વિમુક્ત થયો છું” એવો દાવો કોણ કરી શકે? ખોટાં વજનિયાં અને ખોટાં માપિયાં વાપરનારને પ્રભુ ધિક્કારે છે. બાળક તેના આચરણ પરથી ઓળખાઈ આવે છે કે, તેનાં કામ શુદ્ધ અને પ્રામાણિક છે કે નહિ. સાંભળવા માટેના કાન અને જોવા માટેની આંખ એ બન્‍ને પ્રભુએ બનાવ્યાં છે. નિદ્રાપ્રેમી બનીશ નહિ, નહિ તો તું તારો વારસો ગુમાવીશ; પણ આંખ ઉઘાડી રાખીશ તો તને પૂરતો આહાર મળશે. ખરીદનાર ખરીદતી વખતે કહે છે, “આ તો નકામું છે, નકામું છે,” પણ ત્યાંથી ગયા પછી પોતે કરેલી ખરીદી વિષે બડાઈ હાંકે છે! સોનું અને રત્નો તો અઢળક હોય છે, પણ જ્ઞાન ઉચ્ચારતા હોઠ તો અમૂલ્ય જવાહિર છે. અજાણ્યાના જામીન થનારનાં વસ્ત્રો પણ ગીરવે રાખવાં, અને પરદેશીના જામીન થનારનો અવેજ પોતાના હસ્તક રાખવો. છળકપટથી મેળવેલી રોટલી મીઠી તો લાગે, પણ પછીથી તેમ વર્તનારનું મુખ કાંકરાથી ભરાઈ જશે. સલાહ મેળવીને આયોજન કરવાથી સફળતા સાંપડે છે, અને ચતુરની સલાહ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી લડાઈમાં ઊતરવું. ચૂગલીખોર રહસ્યો ખુલ્લાં કરી દે છે, તેથી વ્યર્થ વાતો કરનારની સોબત કરીશ નહિ. માતપિતાને શાપ દેનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઈ જશે. આરંભમાં ઉતાવળે મેળવેલી વારસાગત સંપત્તિ છેવટે સુખદાયી નીવડશે નહિ. “હું ભૂંડાઈનો બદલો લઈશ” એવું કહીશ નહિ, પ્રભુ પર ભરોસો રાખ એટલે તે તને ઉગારશે. પ્રભુ ખોટાં વજનિયાં વાપરનારને ધિક્કારે છે, અને ત્રાજવાનો કાંટો સમતોલ નહિ રાખનાર નીતિભ્રષ્ટ છે. માણસનો જીવનપ્રવાસ પ્રભુના અધિકારમાં છે; તો પછી માણસ પોતાનો માર્ગ કેવી રીતે સમજી શકે? ‘એ તો સમર્પિત છે, એમ ઉતાવળે માનતા માની લેવી તે ફાંદામાં ફસાવા જેવું છે; માનતા માન્યા પછી તેમાંથી છટકવાનો પ્રયાસ વાજબી નથી. જ્ઞાની રાજા દુષ્ટોને તારવી કાઢે છે; પછી તેમના પર રથનાં પૈડાં ફેરવાવે છે. માણસનો અંતરાત્મા પ્રભુનો દીવો છે; તે તેના દયના ઊંડાણને તપાસે છે. દયાભાવ અને વિશ્વાસુપણું રાજાનું સંરક્ષણ છે, અને અદલ ઇન્સાફ તેના રાજ્યાસનને ટકાવી રાખે છે. જુવાનોનો મહિમા તેમનું જોમ છે, અને વૃદ્ધોની શોભા માથાનાં પળિયાં છે. સોળ પાડનાર ફટકા દુષ્ટતા દૂર કરે છે, અને સોટીની શિક્ષા અંત:કરણનું શુદ્ધિકરણ કરે છે. રાજાનું મન પાણીના પ્રવાહ જેવું છે અને પ્રભુના અંકુશ નીચે છે; તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે. દરેક વ્યક્તિને પોતાનું આચરણ યોગ્ય લાગે છે, પણ પ્રભુ માણસના અંત:કરણની પારખ કરે છે. બલિદાન ચડાવવા કરતાં નેકી અને ઇન્સાફ પ્રભુને વધારે પસંદ છે. દીવો લઈને દુષ્ટોને જુઓ; તેમનાં પાપ દેેખાશે: ઘમંડી દૃષ્ટિ અને અહંકારી દિલ! ખંતીલા માણસોની વિચારશીલ યોજનાઓ નફાકારક હોય છે, પણ ઉતાવળિયા માણસોને તંગી વેઠવી પડે છે. અનીતિથી પ્રાપ્ત થયેલું ધન ધુમાડાની જેમ અદૃશ્ય થશે; તે માણસને મોતમાં ધકેલનારું છે. દુષ્ટોની હિંસા ખુદ દુષ્ટોને જ ભરખી જશે; કારણ, તેમણે સાચી રીતે જીવવાનો ઇનકાર કર્યો છે. દોષિતોનો માર્ગ વાંકોચૂકો હોય છે, પણ નિર્દોષોનો માર્ગ સીધો હોય છે. કજિયાખોર પત્ની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાસીના એક ખૂણામાં વસવું વધારે સારું છે. દુષ્ટનું મન સદા ભૂંડાઈનું ભૂખ્યું હોય છે; તેને તેના પાડોશી મિત્રો પ્રત્યે પણ દયા હોતી નથી. ઉદ્ધત વ્યક્તિને શિક્ષા થાય છે તેથી અબુધ શાણો બને છે; પરંતુ જ્ઞાનીને શિક્ષણ અપાતાં તે વધુ વિદ્યાવાન બને છે. ન્યાયી ઈશ્વર દુષ્ટના ઘર પર ચાંપતી નજર રાખે છે, અને તે દુષ્ટોને વિનાશમાં ધકેલી દે છે. જે ગરીબના પોકાર પ્રત્યે લક્ષ આપતો નથી, તે પોતે પણ મદદ માટે પોકાર કરશે ત્યારે કોઈ તેનું સાંભળશે નહિ. છાની રીતે અપાયેલ ભેટ ક્રોધાગ્નિ સમાવે છે, અને છૂપી રીતે આપેલી લાંચથી ભારે રોષ શમી જાય છે. સાચો ન્યાય તોળાય ત્યારે નેકજનોને આનંદ થાય છે, પણ દુર્જનો તો આતંકગ્રસ્ત થઈ જાય છે, સમજના માર્ગેથી ભટકી જનાર માણસ મૃતાત્માઓની સંગતમાં આવી પડશે. મોજવિલાસમાં રાચનાર અછતમાં આવી પડશે; એમ જ શરાબ અને અત્તરનો શોખીન સંપત્તિવાન બનશે નહિ. નેકજનો પર જે વિપત્તિ લાવવાનો દુષ્ટો પ્રયત્ન કરશે, તે વિપત્તિ આખરે તેમના પર જ આવી પડશે. કજિયાખોર અને ક્રોધી પત્ની સાથે રહેવા કરતાં વેરાન રણમાં વસવું વધારે સારું છે. જ્ઞાનીના આવાસમાં કિંમતી ખજાના અને સુવાસિત અત્તર હોય છે, પણ મૂર્ખ પોતાની સંપત્તિ બેફામ રીતે ઉડાવી દે છે. નેકી અને નિષ્ઠાને ખંતથી અનુસરનારને જીવન, સમૃદ્ધિ અને સન્માન પ્રાપ્ત થશે. ચતુર સેનાપતિ યોદ્ધાઓથી રક્ષાયેલ નગર પર ચડાઈ કરે છે, અને જેના પર નગરનો મદાર હતો તે ગઢ તોડી પાડે છે. વાણી પર સંયમ રાખનાર ઘણી વિટંબણાઓથી ઊગરી જાય છે. ઘમંડી માણસ ઉદ્ધત હોય છે; તેના પ્રત્યેક વર્તાવમાં અહંકારની છાપ હોય છે. આળસુની ક્ષુધા તેની હત્યા કરે છે; કારણ, તેના હાથ શ્રમ કરવાનો ઇનકાર કરે છે. દુષ્ટ સદા લાલચુ હોય છે, પણ નેકજન સદા ઉદારતાથી આપ્યે રાખે છે. દુષ્ટોનું બલિદાન પ્રભુની દૃષ્ટિમાં તિરસ્કારપાત્ર છે; પણ તે બલિદાન બદઇરાદાથી ચડાવાય ત્યારે તો વિશેષ ઘૃણાજનક બને છે. જૂઠો સાક્ષી નષ્ટ થઈ જશે; પરંતુ સાંભળ્યા પ્રમાણે સાચું બોલનારની સાક્ષી ટકશે. દુષ્ટો હિંમતવાન હોવાનો દેખાવ કરે છે, પણ સદાચારી વિચારપૂર્વક વર્તે છે. પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી. ઘોડો યુદ્ધના દિવસ માટે તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો પ્રભુ જ અપાવે છે. અપાર ધન કરતાં સુકીર્તિ, અને સોનાચાંદી કરતાં સદ્ભાવના વધુ ઇચ્છવાજોગ છે. અમીર અને ગરીબ વચ્ચે આ સામ્ય છે: પ્રભુ એ સૌના સર્જક છે. ચતુર માણસ જોખમ આવતું જોઈને સંતાઈ જાય છે, પરંતુ અબુધ આગળ ધપીને આપત્તિ વહોરી લે છે. નમ્રતા અને પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરના બદલામાં સંપત્તિ, સન્માન અને ભરપૂર જીવન પ્રાપ્ત થાય છે. કુટિલજનોનો માર્ગ કાંટા અને ફાંદાથી પથરાયેલો હોય છે; પોતાના આત્માની કાળજી રાખનાર તેનાથી દૂર રહેશે. બાળકે જે માર્ગે ચાલવું જોઈએ તે વિષે તાલીમ આપ, એટલે તેની વૃદ્ધાવસ્થામાં પણ તે તે માર્ગમાંથી હઠશે નહિ. ધનવાન ગરીબ પર આધિપત્ય જમાવે છે, અને લેણદાર દેણદારનો દાસ બને છે. અન્યાયનાં બીજ વાવનાર ફસલમાં વિપત્તિ લણશે; અને તેણે આચરેલ અત્યાચાર તેના નાશનું નિમિત્ત બનશે. પોતાના અન્‍નમાંથી કંગાલોને ઉદારતાથી વહેંચનાર પ્રભુની આશિષ પ્રાપ્ત કરશે. ઉદ્ધતને હાંકી કાઢશો તો કજિયાકંક્સ આપોઆપ શમી જશે; એ સાથે જ તકરાર અને ગાળાગાળી પણ ટળી જશે. પ્રભુ નિખાલસ દયવાળો ચાહના મેળવે છે; અને મિતભાષીને રાજાની મિત્રતા સાંપડશે. પ્રભુની દૃષ્ટિ જ્ઞાનીની દેખરેખ રાખે છે; પણ કપટીઓના શબ્દો તે જૂઠા પાડે છે. આળસુ કહે છે, “બહાર સિંહ છે; જો હું ઘર બહાર શેરીમાં જઈશ તો માર્યો જઈશ.” વ્યભિચારી સ્ત્રીનું મુખ ઊંડા ખાડા સમાન છે; જેના પર પ્રભુનો કોપ હોય તે જ તેમાં પડે છે. બેવકૂફી બાળકના સ્વભાવમાં જ જડાયેલી હોય છે; પણ શિસ્તની સોટી તેનામાંથી મૂર્ખતા દૂર હાંકી કાઢશે. પોતાની ધનદોલત વધારવા ગરીબો પર જુલમ ગુજારનાર અને ધનવાનોને બક્ષિસો આપનાર, જાતે જ કંગાલાવસ્થામાં આવી પડશે. તું જ્ઞાનીઓનાં આ કથનો ધ્યાન દઈને સાંભળ; હું તને તે શીખવું છું ત્યારે તે પર તારું ચિત્ત લગાડ. જો તું તેમને મનમાં રાખીશ, અને યથાસમધ્યે તું તેમનો ઉલ્લેખ કરી શકીશ તો એ તને આનંદ આપશે. પ્રભુમાં તારો ભરોસો ટકી રહે માટે આ જ્ઞાનવાતો હું તને, હા, તને જ શીખવું છું. સુબોધ અને શુભ શિખામણ ધરાવતાં એ ત્રીસ સુભાષિતો મેં તારે માટે લખ્યાં છે; તને શિક્ષણ પ્રાપ્ત કરવા મોકલનારને તું સાચો ઉત્તર આપી શકે માટે તને સાચું અને સારું શું છે એ શીખવ્યું છે. ગરીબની લાચારીનો ગેરલાભ ઉઠાવીશ નહિ, અને ન્યાયસભામાં જુલમપીડિતો પર અત્યાચાર કરીશ નહિ. કારણ, પ્રભુ પોતે તેમનો પક્ષ લઈને લડશે, અને તે તેમને લૂંટી લેનારનો જીવ છીનવી લેશે. ક્રોધી સ્વભાવના માણસની મિત્રતા બાંધીશ નહિ, અને તામસી પ્રકૃતિના માણસનો સંગ કરીશ નહિ. અન્યથા, તું તેનું અનુસરણ કરી લેશે, અને તારી જાતને જાળમાં ફસાવીશ. કોઈને ઉતાવળે અવેજ આપીશ નહિ, અને કોઈના દેવા પેટે જામીન થવા તું વચન આપીશ નહિ. જો તું તે દેવું ચૂકવી ન શકે, તો તેઓ તારી પથારી પણ ઉઠાવી જશે. તારા પૂર્વજોએ હદ દર્શાવવા રોપેલા મૂળ પથ્થરોને તારે ક્યારેય ખસેડવા નહિ. પોતાના કાર્યમાં ખંતથી કૌશલ્ય પ્રાપ્ત કરનાર માણસ તું જુએ છે? તે સામાન્ય કોટિના માણસો આગળ નહિ, પણ રાજામહારાજાઓની હજૂરમાં સેવા કરશે. જો તું કોઈ મહાનુભાવ સાથે જમવા બેસે તો તારી જમવાની રીતભાત પર ધ્યાન રાખ. જો તું ખાઉધર હો, તો તારી જાત પર અંકુશ રાખ. એણે પીરસેલી સ્વાદિષ્ટ વાનગીઓની લાલસામાં પડીશ નહિ; કારણ, એ ભોજન કદાચ છેતરવા માટે પણ હોય. ધનવાન થવા માટે તારી જાત ઘસી નાખીશ નહિ, પણ ડહાપણપૂર્વક સંયમ દાખવ. હજી તો તેં તારા ધન પર એક દૃષ્ટિ જ ફેંકી હશે, એટલામાં તે અદૃશ્ય થશે; ધનને જાણે પાંખો ફૂટશે, અને ગગનમાં એકદમ ઊડી જતા ગરૂડની જેમ ઊડી જશે. કોઈ કંજૂસ માણસનું અન્‍ન ખાઈશ નહિ. અરે, તેના સ્વાદિષ્ટ ભોજનની લાલચમાં પણ પડતો નહિ. તે દિલથી નહિ, પણ માત્ર કહેવા ખાતર કહે છે કે, “ધરાઈને ખાજો,” પણ મનમાં તો તે ખોરાકનો ખર્ચ ગણતો હોય છે. તેં એનું જે કંઈ ખાધું હશે તે તારે ઓકી કાઢવું પડશે, અને તે ભોજન માટે તેં કરેલી પ્રશંસા એળે જશે! મૂર્ખના સાંભળતા કશી વાત ન કર; કારણ, તારા શાણપણભર્યા શબ્દોને તે તુચ્છ ગણશે. હદના મૂળ પથ્થરોને હટાવીશ નહિ, અને અનાથોની જમીનો પડાવી લઈશ નહિ, કારણ, ઈશ્વર પોતે જ તેમના સમર્થ ઉદ્ધારક છે; તે તેમનો પક્ષ લઈને તારી સામે મુકદમો લડશે. શિક્ષણ સંપાદન કરવામાં તારું મન પરોવ, અને વિદ્યાની વાતો પ્રત્યે ધ્યાન આપ. બાળકને શિસ્તમાં રાખતાં ખચકાઈશ નહિ; તું એને સોટીથી શિક્ષા કરીશ તો એથી તે કંઈ મરી જશે નહિ. જરૂર પડે તારે તેને સોટી ફટકારવી, અને એમ તેના આત્માને મૃત્યુલોક શેઓલમાં જતા બચાવવો. મારા પુત્ર, તારું હૃદય જ્ઞાન પ્રાપ્ત કરશે, તો મારા દિલને આનંદ થશે. જ્યારે હું તારે મુખે સાચી વાતો સાંભળીશ, ત્યારે મારું અંતર હરખાશે. તારા મનમાં પાપીઓની ઈર્ષા કરીશ નહિ; પરંતુ પ્રભુ પ્રત્યે સતત આદરયુક્ત ડર રાખ. જો તું એમ કરીશ તો તારું ભાવિ ઉજ્જવળ થશે; અને તારી આશા નષ્ટ થશે નહિ. મારા પુત્ર મારી વાત સાંભળ અને જ્ઞાની બન, અને સદાચરણના માર્ગ પર તારું મન લગાડ. દારૂડિયાની સોબત ન કર; વળી, માંસના ખાઉધરનો સંગ ન કર. કારણ, દારૂડિયો અને ખાઉધર ગરીબીમાં આવી પડશે, અને એમના ઘેનમાં પડનાર ચીંથરેહાલ બની જશે. તારા જન્મદાતા પિતાનું કહેવું સાંભળ; તારી માતાને તેની વૃદ્ધાવસ્થામાં તુચ્છકારીશ નહિ. સત્યની ખરીદી કર, તેને વેચીશ નહિ; જ્ઞાન, શિસ્ત તથા સમજને પણ વેચીશ નહિ. નેક પુત્રનો પિતા ઘણો હરખાશે, અને સમજુ પુત્રનો પિતા આનંદ કરશે. માટે તારાં માતાપિતાને આનંદ પમાડ, તારી જનેતાને હર્ષ પમાડ. મારા પુત્ર, તું મને દયપૂર્વક આધીન થા, અને તારી દૃષ્ટિ સતત મારા માર્ગ પર રાખ. કારણ, વેશ્યા એક ઊંડી ખાઈ જેવી છે; અને પારકી સ્ત્રી સાંકડા કૂવા જેવી છે. લૂંટારાની માફક તે રાહ જોઈને બેસે છે, અને ઘણા પુરુષોને બેવફા બનાવે છે. કોણ અફસોસ કરે છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? કોને વિનાકારણ ઘા પડયા છે? કોની આંખોમાં લાલાશ છે? સતત દારૂ ઢીંચનારાઓને! મદિરાનાં નવાં નવાં મિશ્રણ પીનારાઓને! દ્રાક્ષાસવની લાલાશથી લલચાઈશ નહિ; તે પ્યાલામાં ચમક્તો હોય અને સરળતાથી પેટમાં ઊતરી જાય તેવો હોય ત્યારે તેની સામે જોઈશ નહિ. અંતે તો તે સાપની જેમ કરડે છે, અને નાગની જેમ ડસે છે. તું દ્રાક્ષાસવ ઢીંચીશ તો તારી આંખો ચિત્રવિચિત્ર દૃશ્યો દેખશે, અને તારું મન અને તારી વાણી ગૂંચવાડામાં પડશે. જાણે તું ભરદરિયે પડેલો હોય, અને વહાણના સઢની ક્ઠી પર સૂતો હોય એવો અનુભવ થશે. તું કહેશે, “લોકોએ મને ફટકાર્યો પણ મને ચોટ લાગી નથી, તેમણે મને માર્યો છે પણ મને તેની અસર થઈ નથી. હું ક્યારે જાગીશ? મારે ફરીવાર આસવ પીવો પડશે.” દુષ્ટ માણસોની અદેખાઈ કરીશ નહિ, અને તેમની સોબત કરવાની ઇચ્છા ન રાખ. કારણ, તેમનાં મન હિંસાત્મક યોજનાઓ ઘડે છે; અને તેમને મુખે ઉપદ્રવની જ વાતો હોય છે. જ્ઞાન વડે ઘર બંધાય છે અને સમજણથી તે ટકી રહે છે વિદ્યા વડે તેના ખંડો બધા જ પ્રકારની દુર્લભ અને સુખદાયક વસ્તુઓથી સુસજ્જ થાય છે. જ્ઞાની માણસ બળવાન કરતાં ચડિયાતો હોય છે, અને વિદ્વાન માણસ પહેલવાન કરતાં ચડિયાતો છે. કારણ, બુદ્ધિપૂર્વકની વ્યૂહરચના વડે જ યુદ્ધ લડી શકાય છે, અને ઘણા સલાહકારોથી વિજય નિશ્ર્વિત બને છે. જ્ઞાની વાતો મૂર્ખની સમજણ બહાર હોય છે; ન્યાયસભા સમક્ષ તે કંઈ બોલી શક્તો નથી. સદા કુટિલ યોજનાઓ ઘડવામાં રાચનારા કુટિલતામાં નિષ્ણાત તરીકે કુખ્યાત બને છે! મૂર્ખ યોજનાઓ ઘડવી એ પાપરૂપ છે અને ઉદ્ધત માણસને સૌ કોઈ ધિક્કારે છે. કટોકટીની વેળાએ નાહિંમત બનવું તે સાચે જ નિર્બળતાની નિશાની છે. જેમને જુલમથી દેહાંતદંડ માટે ઘસડી જવામાં આવે છે તેમને તું ઉગારી લે અને ક્તલ થવાની તૈયારીમાં છે તેમને છોડીવી લે. જો તું બહાનું કાઢીને કહે, “મને એની ખબર નહોતી,” તો શું હૃદયોની તુલના કરનાર ઈશ્વર તારો એ વિચાર નહિ જાણે? તારા જીવનુંય રક્ષણ ઈશ્વર કરે છે એ શું તું નથી જાણતો? તે તારાં કાર્ય અનુસાર તને પ્રતિફળ આપશે. મારા પુત્ર, તારે માટે મધ ખાવું સારું છે, અને મધપૂડામાંથી ટપક્તા મધનો સ્વાદ તને મીઠો લાગે છે; એથીય વિશેષ જ્ઞાન તારા આત્માને મીઠું લાગશે. તો તે પ્રાપ્ત કરવાથી તારું ભાવિ ઉજ્જવળ બનશે, અને તારી આશા નષ્ટ થશે નહિ. નેકજનના નિવાસ સામે દુષ્ટની જેમ લાગ જોઈને સંતાઈ રહીશ નહિ; અને તેનું ઘર લૂંટી લઈશ નહિ. સાત સાત વાર પછાડ ખાધા પછી પણ નેકજન ફરી ઊભો થાય છે, પણ દુષ્ટો તો એક જ વિપત્તિથી પાયમાલ થઈ જાય છે. તારા શત્રુનું પતન થાય ત્યારે હરખાઈશ નહિ, અને તે ઠોકર ખાય ત્યારે હૃદયમાં આનંદ પામીશ નહિ; નહિ તો તે જોઈને પ્રભુ તારા પર નારાજ થશે અને તારા શત્રુ પરથી પોતાનો કોપ પાછો ખેંચી લેશે. દુર્જનોની ચઢતીને લીધે તું ચીડાઈશ નહિ, અને દુષ્ટોની ઈર્ષા કરીશ નહિ. કારણ, દુષ્કર્મીઓનું કંઈ ભાવિ નથી, અને દુષ્ટોનો દીવો ઓલવાઈ જશે. મારા પુત્ર, પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને રાજાનું સન્માન કર, અને વિદ્રોહ કરનારાનો સાથ કરીશ નહિ. કારણ, તેઓ બન્‍ને વિદ્રોહીઓ પર ઓચિંતો નાશ લાવશે અને તેઓ પર કઈ આપત્તિ લાવશે તે કોણ જાણી શકે? આ પણ જ્ઞાનીઓનાં કથનો છે: ન્યાય તોળવામાં પક્ષપાત કરવો અયોગ્ય છે. જે ગુનેગારને નિર્દોષ જાહેર કરશે, તેને લોકો શાપ દેશે અને પ્રજા તેને ધિક્કારશે. પરંતુ દોષિતને સજા ફરમાવનાર ન્યાયાધીશનું ભલું થશે, અને તેમના પર આબાદીની આશિષ ઊતરશે. નિખાલસ પ્રત્યુત્તર નિકટના મિત્રે હોઠે કરેલા ચુંબન બરાબર છે. પ્રથમ તારાં ખેતર તૈયાર કર, અને તું આજીવિકા રળી શકીશ કે નહિ તેની ખાતરી કર; તે પછી જ તારું ઘર બાંધ. પૂરતા કારણ વિના તારા પાડોશી વિરુદ્ધ સાક્ષી ન પૂર, અને તારા મુખે તેને વિશે કપટી વાત બોલીશ નહિ. તું એવું ન કહીશ કે તેણે મારી સાથે જેવો વર્તાવ કર્યો તેવો હું પણ કરીશ, અને તેના કામનો બદલો હું લઈશ. એકવાર હું એક આળસુ મૂર્ખના ખેતર તથા દ્રાક્ષવાડી પાસેથી પસાર થતો હતો; ત્યાં બધે કાંટાઝાંખરાં છવાઈ ગયાં હતાં; નકામા છોડ ઊગી નીકળ્યા હતા; અને પથ્થરની વાડ તૂટી પડી હતી. એ નિહાળીને મેં મારા મનમાં સારી પેઠે વિચાર કર્યો, અને તેમાંથી મને બોધપાઠ મળ્યો. આળસુ કહે છે, “થોડુંક વધારે ઊંઘવા દો, એક ઝોકુ ખાઈ લેવા દો! હું જરા હાથ વાળીને આરામ કરી લઉં!” પણ તેથી દરિદ્રતા તેના પર લૂંટારાની જેમ અને કંગાલાવસ્થા સશસ્ત્ર ધાડપાડુની જેમ તૂટી પડશે. આ સુભાષિતો પણ શલોમોન રાજાનાં છે અને યહૂદિયાના રાજા હિઝકિયાના લહિયાઓએ તેમની નકલ ઉતારી હતી: ઈશ્વરની પ્રશંસા તેમની અગમ્યતાને લીધે થાય છે; જ્યારે રાજાની પ્રશંસા રહસ્યો ઉકેલવાની તેની આવડતને લીધે થાય છે. આકાશની ઊંચાઈ અને અધોલોકની ઊંડાઈની જેમ રાજાઓનું મન અકળ હોય છે. ચાંદીમાંથી ભેગ દૂર કર્યા પછી જ સોની તેમાંથી આભૂષણ ઘડી શકે છે; તેમ જ દુષ્ટોને રાજાની હજૂરમાંથી હાંકી કાઢવામાં આવે તો ન્યાય-નેકી દ્વારા તેનું રાજ્યાસન સ્થિર થશે. રાજદરબારમાં પોતાને આગળ કરીશ નહિ, અને મહાનુભાવોના ઊંચા સ્થાને બેસીશ નહિ. કારણ, રાજા તને ઉચ્ચ આસન પરથી ઊઠી જવાનું કહે, એ કરતાં રાજા પોતે તને ઉચ્ચ આસને બેસાડે એ વધારે સારું છે. તારી નજરે જોયેલી વાત માટે પણ દાવો માંડતા પહેલાં પૂરી ચોક્સાઈ કર; નહિ તો તારો પ્રતિવાદી તારી વાતનું ખંડન કરે, ત્યારે તારે ભોંઠા પડવું પડશે. જો કોઈ વ્યક્તિ સાથે તારે મતભેદ હોય તો પરસ્પર મંત્રણાથી તેનો ઉકેલ લાવ અને એકમેકની ખાનગી વાતો પ્રગટ ન કર; નહિ તો એ વાત સાંભળનારા તારી નિંદા કરશે, અને તારી કાયમની બદનામી થશે. પ્રસંગને અનુસરીને યોગ્ય રીતે બોલાયેલો શબ્દ રૂપાની ટોપલીમાં સોનાના ફળ જેવો છે. જ્ઞાની માણસની શિખામણ પર લક્ષ આપવા તૈયાર હોય તેવા માણસ માટે તે કાનનાં સોનેરી કુંડળ અને સોનાનાં આભૂષણ જેવી છે. ભરોસાપાત્ર સંદેશક તેને મોકલનાર શેઠ માટે કાપણીની ગરમીમાં શીતળ હિમ જેવો લાગે છે; તે પોતાના શેઠના જીવને તાજગી આપે છે. જે માણસ દાન આપવાની બડાઈ હાંકે છે પણ આપતો નથી, તે ભેજ વગરનાં સૂકાં વાદળ અને વાયુ જેવો છે. ધીરજપૂર્વકની સમજાવટથી મોટા અધિકારીને મનાવી શકાય છે, અને નમ્ર વાણી કઠોરતા દૂર કરે છે. જ્યારે મધ મળી આવે ત્યારે જરૂર પૂરતું જ ખા; વધુ પડતું ખાવાથી તને ઊલટી થશે. તારા પાડોશીના ઘરમાં વારંવાર જઈશ નહિ; નહિ તો એ તારાથી કંટાળીને તારો તિરસ્કાર કરવા લાગશે. મિત્રો વિરુદ્ધ જૂઠી સાક્ષી આપનાર ફરસી, તલવાર કે તીક્ષ્ણ તીર જેવો ક્તિલ છે. વિશ્વાસઘાતી માણસમાં સંકટ સમયે મૂકેલો વિશ્વાસ, એ તો સડેલા દાંત કે તૂટેલા પગ પર ભરોસો મૂકવા સમાન છે. ભગ્ન દયવાળા માણસ આગળ આનંદી ગીતો લલકારવાં તે શિયાળાની ઠંડીમાં કોઈનાં વસ્ત્રો ઝૂંટવી લેવા સમાન કે ઘા પર સરકો રેડવા સમાન છે. જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ખોરાક આપ; જો તે તરસ્યો હોય તો તેને પાણી પા. એમ ઉપકાર કરવાથી તું તેને શરમથી ભોંઠો પાડશે, અને પ્રભુ તને તારા સર્ત્ક્યનો બદલો આપશે. જેમ મોસમી પવનો વરસાદ લાવે છે, તેમ જ ચુગલીખોર જીભ ક્રોધ ઉત્પન્‍ન કરે છે. કજિયાખોર પત્ની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાસીના એક ખૂણામાં વસવું વધારે સારું છે. પરદેશથી આવેલ શુભ સમાચાર, તરસ્યા જીવને પાયેલા શીતલ જળ સમાન છે. દુષ્ટની સામે નેકજનને નમતું જોખવું પડે એ ડહોળાયેલા ઝરણા જેવું અથવા પ્રદૂષિત કૂવા જેવું અસહ્ય છે. વધુ પડતું મધ ખાવું તે નુક્સાનકારક છે; તેમ જ અતિશય ખુશામત સ્વીકારવી હાનિકારક છે. પોતાના મન પર સંયમ રાખી નહિ શકનાર કોટ વિનાના ખંડિયેર બનેલા નગર જેવો છે. મૂર્ખને મળતું સન્માન ઉનાળામાં પડતા હિમ જેવું અને કાપણી સમયે પડતા વરસાદ જેવું અનુચિત છે. વિનાકારણ દીધેલો શાપ ભટક્તી ચકલી અને આમતેમ ઊડતા અબાબીલ પક્ષીની જેમ કોઈનાય પર ઊતરતો નથી. ઘોડા માટે ચાબુક અને ખચ્ચર માટે લગામ હોય છે, તેમ મૂર્ખની પીઠ માટે સોટી છે. મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર ન આપ, નહિ તો તું પણ તેના જેવો મૂર્ખ ગણાઈશ. મૂર્ખને તેની મૂર્ખાઈને અનુરૂપ ઉત્તર આપ, નહિ તો તે પોતાને જ્ઞાની સમજશે. મૂર્ખને હાથે સંદેશો મોકલનાર જાણે પોતાનો જ પગ કાપે છે; તે પોતાનું જ નુક્સાન વહોરી લે છે. મૂર્ખના મુખમાંની કહેવત તે લંગડા માણસના લૂલા પગ જેવી અસંગત હોય છે. ગોફણમાં પથ્થરને સજ્જડ બાંધી દેવો અને મૂર્ખને સન્માન આપવું એ બન્‍ને નિરર્થક છે! મૂર્ખના મુખમાંની કહેવત છાકટા હાથમાં ભોંક્યેલ કાંટા જેવી નકામી છે. મૂર્ખ અને શરાબી માણસને કામ સોંપવું તે તીરંદાજ વટેમાર્ગુઓને આડેધડ ઘાયલ કરે તેના જેવું અર્થહીન છે. જેમ કૂતરો પોતે ઓકેલું ખાવા માટે પાછો જાય છે, તેમ જ મૂર્ખ પોતાની મૂર્ખાઈનું પુનરાવર્તન કર્યા કરે છે. પોતાની જાતને વિદ્વાન માની બેઠેલા માણસ કરતાં મૂર્ખના ભાવિ માટે વિશેષ આશા રાખી શકાય! “રસ્તા પર સિંહ છે! શેરીમાં સિંહ છે!” એવું કહીને આળસુ ઘર બહાર નીકળતો નથી; જેમ બારણું મિજાગરા પર ફરે છે, તેમ જ આળસુ પોતાની પથારીમાં આળોટયા કરે છે. આળસુ ભોજનની થાળીમાં હાથ મૂકે છે તો ખરો, પણ હાથને મુખ સુધી લાવતાં પણ તેને થાક લાગે છે! યોગ્ય ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં, આળસુ પોતાને વધુ જ્ઞાની સમજે છે. પારકાના ઝઘડામાં પડીને ઉશ્કેરાટમાં આવી જવું એ રખડતા કૂતરાના કાન ખેંચવા જેવું છે. બીજાને છેતર્યા પછી એમ કહેવું કે, “હું તો માત્ર મજાક ઉડાવતો હતો!” તે સળગતા ખોયણાં, તીક્ષ્ણ તીર અને ક્તિલ શસ્ત્રોથી ખેલતા પાગલ જેવું છે. *** જેમ બળતણના અભાવે અગ્નિ ઓલવાઈ જાય છે, તેમ કાન ભંભેરનારને અભાવે ઝઘડા શમી જાય છે. જેમ ધમણ અંગારાને અને અગ્નિ લાકડાંને પેટાવે છે, તેમ જ ઝઘડાખોર માણસ કજિયા સળગાવે છે. કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે; તે અભ્યંતરમાં સરળતાથી ઊતરી જાય છે. જેમ ઢોળ ચડાવવાથી માટીના પાત્રની ક્ષુદ્રતા ઢંકાઈ જાય છે, તેમ જ મીઠી વાતોથી કુટિલ ઇરાદાઓ ઢંકાઈ જાય છે. દ્વેષી માણસ કપટી વાણીથી છેતરે છે; કારણ, તેનું હૈયું કપટથી ભરેલું છે. તેની મીઠી મીઠી વાતો પર ભરોસો રાખતો નહિ, કારણ, તેના હૃદયમાં સાતગણી ઘૃણા છે. ગમે તેવી ચતુરાઈથી તે પોતાની ઘૃણાને છુપાવે, તો પણ તેની દુષ્ટતા સૌની સમક્ષ ઉઘાડી પડશે. અન્ય માટે ખાડો ખોદનાર પોતે જ તેમાં પડશે, અને બીજાની તરફ પથ્થર ગબડાવનાર પોતે જ કચડાઈ જશે. જૂઠાબોલી જીભ તેનો ભોગ બનનારા પર દ્વેષ રાખે છે, અને ખુશામતખોર મોં બરબાદી લાવે છે. આવતી કાલ વિષે બડાઈ ન કર; કારણ, એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી. બીજા ભલે તારાં વખાણ કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; પારકો ભલે તારી પ્રશંસા કરે, પણ તું પોતે ન કર. પથ્થર વજનદાર અને રેતી ભારે લાગે છે; પણ મૂર્ખનો ત્રાસ એ બન્‍ને કરતાં વધારે ભારે છે. ક્રોધ નિર્દય અને રોષ ભયાનક હોય છે, પણ ઈર્ષા આગળ કોણ ટકી શકે? ગુપ્ત પ્રેમ કરતાં નિખાલસ ઠપકો વધુ સારો છે. મિત્રે કરેલા ઘા ભલા માટે હોય છે, પણ શત્રુનાં તો ચુંબનોય દગાબાજ હોય છે. ધરાયેલો માણસ મધથી પણ કંટાળે છે, પણ ક્ષુધાતુરને કડવી ચીજ પણ મીઠી લાગે છે. પોતાના મુકામથી ભટકી ગયેલો માણસ પોતાનો માળો તજીને ભમનાર પક્ષી જેવો છે. સુવાસિત અત્તર અને સુગંધીદાર ધૂપથી હૃદય હર્ષ પામે છે; તેમ મિત્રની હાર્દિક સલાહની મીઠાશ અંતરને આનંદ આપે છે. પોતાના મિત્રને અરે, તારા પિતાના મિત્રને પણ તજીશ નહિ, એમ કરીશ તો આપદ્કાળે ભાઈને ત્યાં દોડી જવાની જરૂર પડશે નહિ; દૂર રહેતા ભાઈ કરતા નજીકનો પડોશી વધારે મદદરૂપ બનશે. મારા પુત્ર, તું જ્ઞાની બનીશ તો મને આનંદ થશે, અને હું મારી નિંદા કરનારને પ્રત્યુત્તર આપી શકીશ. ચતુર માણસ જોખમ આવતું જોઈને સંતાઈ જાય છે, પરંતુ અબુધ આગળ ધપીને આપત્તિ વહોરી લે છે. અજાણ્યાના જામીન થનારનાં વસ્ત્રો પણ ગીરવે રાખવાં અને પરદેશીના જામીન થનારનો અવેજ તાબામાં રાખવો. પરોઢિયે ઊઠીને મિત્રને મોટે સાદે દીધેલો આશીર્વાદ તેને શાપ સમાન લાગશે. ચોમાસામાં સતત વરસતા વરસાદની જેમ કજિયાખોર પત્ની પણ ત્રાસદાયક છે; એવી પત્નીને રોકવી એ પવનને રોકવા કરતાં અને હાથમાં અત્તરની સુગંધ પકડી રાખવા કરતાં વધુ મુશ્કેલ છે! જેમ લોઢું લોઢાના ઓજારને ધારદાર બનાવે છે, તેમ મિત્રો એકમેકની બુદ્ધિશક્તિને સતેજ કરે છે. અંજીરી સાચવનાર તેનાં ફળ ખાશે, તેમ જ માલિકની સેવા કરનાર સન્માન પામશે. જેમ પાણીમાં મુખનું પ્રતિબિંબ પડે છે, તેમ માણસના દયનું પ્રતિબિંબ બીજાના હૃદયમાં પડે છે. મૃત્યુલોક શેઓલ અને વિનાશક ક્યારે ય તૃપ્ત થતાં નથી, તેમ માણસની આંખોની લાલસા કદી સંતોષાતી નથી. ચાંદીની પરખ કુલડીમાં અને સોનાની પરખ ભઠ્ઠીમાં થાય છે. તેમ માણસની પરખ તેની પ્રશંસા પરથી થાય છે. તું મૂર્ખને ખાંડણીમાં સાંબેલાથી અનાજની જેમ ખાંડે, તો પણ તેની મૂર્ખતા તેનાથી છૂટી પડશે નહિ! પશુધનની સંભાળ સંપત્તિ સદાકાળ ટક્તી નથી; અરે, રાજગાદી પણ વંશપરંપરા ટક્તી નથી; માટે, તારા પશુધનની પરિસ્થિતિ વિષે માહિતગાર રહે, અને ખંતથી તેમની કાળજી રાખ; *** તેથી જ્યારે ઘાસ કપાય અને તેને સ્થાને કુમળું ઘાસ ફૂટી નીકળે અને ટેકરીઓના ઢોળાવ પરનો ઘાસચારો એકઠો કરી લેવામાં આવે, ત્યારે પણ ઘેટાં તને વસ્ત્રો માટે ઊન પૂરું પાડશે, અને બકરાંના બદલામાં તું ખેતરો ખરીદી શકીશ; તેમ જ બકરીના દૂધથી તારું, તારા પરિવારનું અરે, તારા નોકરચાકરનું પણ પોષણ થશે! કોઈ પીછો કરતું ન હોય તો પણ દુષ્ટ નાસે છે, પરંતુ નેકજનો સિંહ જેવા હિમ્મતવાન હોય છે. દેશમાં અંધાધૂંધી હોય ત્યારે અનેક નેતા ઊભા થાય છે, પણ એક બુદ્ધિશાળી અને જ્ઞાની આગેવાનથી દેશ ટકી રહે છે. કંગાલોને રંજાડનાર જુલમગાર પાકનો નાશ કરનાર વરસાદની હેલી જેવો છે. નિયમશાસ્ત્રનો અનાદર કરનાર જ દુષ્ટોનાં વખાણ કરે છે, પણ નિયમશાસ્ત્રનું પાલન કરનાર દુષ્ટો સામે ટક્કર ઝીલે છે. દુષ્ટોની ટોળકી ન્યાયનો સાચો અર્થ સમજતી નથી, પણ પ્રભુના ભક્તો ન્યાયને સંપૂર્ણપણે સમજે છે. અવળે માર્ગે ચાલનાર અપ્રામાણિક ધનવાન કરતાં સન્માર્ગે ચાલનાર પ્રામાણિક ગરીબ ચડિયાતો છે. નિયમ પાળનાર પુત્ર જ્ઞાની છે, પણ ખાઉધરાઓનો સાથીદાર પોતાના પિતાની બદનામી કરે છે. જે બેફામ વ્યાજ અને નફો લઈને પોતાની મિલક્ત વધારે છે, તે ગરીબો પ્રત્યે હમદર્દી દાખવનાર માટે તે મિલક્ત છોડી જાય છે. નિયમશાસ્ત્રના પાલન પ્રત્યે બેદરકારી દાખવનારની પ્રાર્થના પણ ઘૃણાસ્પદ બની જાય છે. સદાચારી માણસને કુમાર્ગે દોરી જનાર પોતે ખોદેલા ખાડામાં પડશે. પરંતુ પ્રામાણિક જનને ઉચ્ચ વારસો પ્રાપ્ત થશે. ધનવાન માણસ પોતાને જ્ઞાની સમજે છે, પણ સમજુ ગરીબ તેને પારખી લે છે. નેકજનોના વિજયમાં બધા હર્ષોલ્લાસ કરે છે, પણ દુષ્ટો સત્તા પ્રાપ્ત કરે ત્યારે લોકો ડરના માર્યા છુપાઈ જાય છે. પોતાના અપરાધોને છુપાવનાર આબાદ થશે નહિ, પરંતુ અપરાધોની કબૂલાત કરી તેમનો ત્યાગ કરનાર દયા પ્રાપ્ત કરશે. સદાસર્વદા પ્રભુનો ડર રાખીને વર્તનાર ધન્યવાદને પાત્ર છે, પરંતુ પોતાના દયને કઠોર બનાવનાર આપત્તિમાં આવી પડશે. લાચાર પ્રજા પર શાસન ચલાવતો દુષ્ટ રાજા ગર્જતા સિંહ જેવો અથવા શિકારની શોધમાં ભમતા રીંછ જેવો છે. સમજ વિનાનો અધિકારી જ જુલમ ગુજારે છે, પણ અપ્રામાણિક્તાથી પ્રાપ્ત થતા ધનની ઘૃણા કરનાર દીર્ઘાયુ થશે. ખૂનના આરોપી ધરપકડથી બચવા કૂવામાં ય કૂદી પડશે. સાચે માર્ગે ચાલનાર ઉદ્ધાર પ્રાપ્ત કરશે, પણ અવળે માર્ગે ચાલનારનું પતન થશે. પોતાની જમીન પર ખંતથી પરિશ્રમ કરનાર આબાદ થશે, પરંતુ વ્યર્થ વાતોમાં સમય બરબાદ કરનાર બરબાદ થશે. ઇમાનદાર માણસ અપાર આશિષ પ્રાપ્ત કરશે, પરંતુ ઉતાવળે ધનવાન થવા ઇચ્છનાર શિક્ષા પામશે. ન્યાય તોળવામાં પક્ષપાત દાખવવો ખોટું છે, છતાં કેટલાક ન્યાયાધીશો નજીવી લાંચ માટે પણ ન્યાય ઊંધો વાળે છે. કંજૂસ માણસ ધન પાછળ દોડે છે, પણ દરિદ્રતા તેને પકડી પાડશે તેની તેને ખબર નથી! ખોટા વખાણ કરનાર કરતાં મોઢામોઢ ઠપકો આપનારની વધુ કદર થશે. પોતાના માતપિતાને લૂંટયા પછી જે એમ કહે છે કે, એમાં કંઈ ગુનો નથી તે હત્યારાનો સાથીદાર છે. લોભી માણસ ઝઘડા ઊભા કરે છે, પણ પ્રભુ પર ભરોસો રાખનાર સમૃદ્ધ થશે. પોતાની જ અક્કલ પ્રમાણે વર્તનાર મૂર્ખ છે, પણ શાણાની શિખામણ પ્રમાણે વર્તનાર સલામત રહેશે. ગરીબોને ઉદારતાથી આપનાર કદી અછતમાં આવી પડશે નહિ, પરંતુ ગરીબોને જોઈને દષ્ટિ ફેરવી લેનાર પર તો શાપ જ વરસશે. દુષ્ટો સત્તા પ્રાપ્ત કરે ત્યારે લોકો ડરના માર્યા છુપાઈ જાય છે, પણ તેમનો વિનાશ થાય ત્યારે નેકજનોની ચડતી થાય છે. વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ. નેકજનોના શાસનમાં પ્રજા આનંદી રહે છે, પણ દુષ્ટના અધિકારમાં લોકો નિસાસા નાખે છે. જ્ઞાનપ્રેમી પુત્ર માબાપને આનંદ પમાડશે, પરંતુ વેશ્યાઓનો સંગ કરનાર પોતાની સંપત્તિ ઉડાવી દેશે. ઇન્સાફ દ્વારા રાજા તેના દેશને સ્થિર શાસન આપશે, પણ પ્રજાનું શોષણ કરનાર દેશને બરબાદ કરશે. પોતાના મિત્રને ફોસલાવનાર માણસ તેના મિત્રના પગ માટે જાળ બિછાવે છે. દુષ્ટ માણસનો અપરાધ એક ફાંદારૂપ છે, પણ નેકજન તેમાંથી છટકી જઈને હર્ષાનંદ કરે છે. નેકજન કંગાલોના અધિકારોની રક્ષા કરે છે, પણ દુષ્ટને એવી કંઈ દરકાર હોતી નથી. ઘમંડી માણસો આખા નગરને ઉશ્કેરે છે, પણ જ્ઞાની માણસો ક્રોધાગ્નિ શમાવે છે. જો જ્ઞાની માણસ મૂર્ખ વિરુદ્ધ કેસ માંડે, તો તેને જંપ રહેશે નહિ, કારણ, મૂર્ખ તેની નિંદા અને મશ્કરી કરશે. ઘાતકી માણસો પ્રામાણિક માણસોને ધિક્કારે છે, તેઓ સદાચારીઓનો જીવ લેવા મથે છે. મૂર્ખ પોતાનો ક્રોધ પૂરેપૂરો વ્યક્ત કરે છે, પરંતુ જ્ઞાની માણસ ક્રોધને કાબૂમાં રાખે છે. જો શાસનર્ક્તા અફવાઓ પર લક્ષ આપશે, તો તેના અધિકારીઓ નિ:શંક દુષ્ટ બનશે. ગરીબ અને તેના જુલમગાર વચ્ચે આ સામ્ય છે: તે બન્‍નેની આંખોને પ્રભુ જ પ્રકાશ આપે છે. જો રાજા સચ્ચાઈથી ગરીબોનો ન્યાય તોળે, તો તેનું રાજ્યાસન સદા સલામત રહેશે. શિક્ષાની સોટી અને સુધારવાની શિખામણ જ્ઞાનદાયક છે, પણ અંકુશ વિના ઉછરેલું બાળક તેની માતાને કલંક લગાડે છે. દુષ્ટોની ચડતી થાય છે ત્યારે ગુનાખોરી વધે છે, પણ નેકજનો આવા દુષ્ટોની દુર્દશા નિહાળશે. તારા પુત્રને શિસ્તમાં કેળવ, તો તે તને નિરાંત પમાડશે, અને તારા મનને આનંદ આપશે. ઈશ્વરની દોરવણીને અભાવે લોકો સ્વેચ્છાચારી બની જાય છે. પરંતુ નિયમશાસ્ત્ર પાળનાર પ્રજા સદા આશિષ પામે છે. એકલા શબ્દોથી નોકરને શિક્ષા લાગતી નથી, કારણ, તે શબ્દો સમજે છે, પણ તે ગણકારતો નથી. વગરવિચાર્યે ઉતાવળથી બોલનાર માણસ કરતાં કોઈ મૂર્ખ માટે વધુ આશા રાખી શકાય. જો નોકરને બાળપણથી જ લાડમાં ઉછેરવામાં આવે તો આખરે તેને અંકુશમાં રાખવો મુશ્કેલ બનશે. ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે અને ઉગ્ર સ્વભાવનો માણસ ઘણા અપરાધ કરે છે. માણસનો અહંકાર તેને હલકો પાડશે, પરંતુ વિનમ્ર માણસ સન્માન પ્રાપ્ત કરશે. ચોરી કરવામાં સાથ આપનાર પોતાનો જ દુશ્મન બને છે; તે અદાલતમાં શપથ લે પણ સાચી સાક્ષી આપી શક્તો નથી. *** રાજર્ક્તાની કૃપા તો સૌ કોઈ શોધે છે, પરંતુ ન્યાય તો માત્ર પ્રભુ પાસેથી જ મળે છે. નેકજનો માટે કપટ આચરનારા ઘૃણાસ્પદ છે; તેમ જ દુષ્ટો સજ્જનોને ઘૃણાસ્પદ ગણે છે. યાકેહના પુત્ર આગૂરનાં આ ગંભીર કથનો છે: કોઈક આવું બોલી ઊઠે છે: ઈશ્વર મારી સાથે નથી, ઈશ્વર મારી સાથે નથી. હું લાચાર છું. સાચે જ હું મનુષ્ય નથી પણ પશુવત્ છું, અને મારામાં મનુષ્યની સમજ નથી. હું દિવ્યજ્ઞાન પામ્યો નથી, તેમ જ મને પવિત્ર પરમેશ્વર કેવા છે તેની જાણકારી નથી. કોણ સ્વર્ગમાં ચડીને પાછું નીચે ઊતર્યું છે? કોણે પવનને કદી પોતાની મુઠ્ઠીમાં પકડયો છે? કોણે મહાસાગરને વસ્ત્રમાં બાંધ્યો છે? કોણે પૃથ્વીની સર્વ સીમાઓ સ્થાપી છે? તેમનું નામ શું? અને તેમના પુત્રનું નામ શું? સાચે જ તને તો ખબર હશે! ઈશ્વરનું દરેક કથન સાચું ઠરેલું છે, ઈશ્વરને શરણે જનાર માટે તે ઢાલરૂપ છે. તેથી ઈશ્વર જે બોલ્યા છે તેમાં તું કંઈ ઉમેરો ન કર; નહિ તો ઈશ્વર તને ઠપકો આપશે અને તને જૂઠો પુરવાર કરશે. હે ઈશ્વર, હું તમારી પાસે બે વરદાન યાચું છું; અને મને મરણપર્યંત તેમનાથી વંચિત રાખશો નહિ. તમે મને છળકપટ અને જૂઠથી બચાવો; મને ન તો ગરીબી આપો કે ન તો અપાર સમૃદ્ધિ આપો, પણ મને મારો દૈનિક આહાર આપજો. નહિ તો હું સમૃદ્ધિથી છકી જઈને, તમારો નકાર કરું, અને કહું કે, ‘યાહવે તે કોણ?’ અથવા, ગરીબ હોવાને લીધે ચોરી કરીને મારા ઈશ્વરના નામને બટ્ટો લગાડું. કોઈપણ નોકરની તેના શેઠ સમક્ષ નિંદા ન કર; નહિ તો તે તને શાપ દેશે અને તું દોષપાત્ર ઠરશે. એવા લોકો પણ હોય છે જેઓ પોતાના પિતાને શાપ દે છે, અને પોતાની જનેતાની કદર બૂજતા નથી. એવા લોકો પણ હોય છે જેઓ પોતાને શુદ્ધ માને છે, પણ તેમની મલિનતાથી શુદ્ધ થયા નથી. એવા લોકો પણ હોય છે જેમની આંખોમાં ઘમંડ હોય છે, અને જેઓ સૌને તુચ્છકારની નજરે જુએ છે. એવા લોકો પણ હોય છે જેમના દાંત તલવાર જેવા અને જેમની દાઢો ક્સાઈની છરી જેવી તીક્ષ્ણ હોય છે. તેઓ પૃથ્વી પરથી કચડાયેલાઓને અને લોકોમાંથી ગરજવાનોને ફાડી ખાય છે. જળોને બે દીકરીઓ હોય છે; તેમનાં નામ છે: “આપ, આપ!” વળી, ત્રણ વસ્તુઓ કદી તૃપ્ત થતી નથી, અને “બસ” એમ કદી ન કહેનાર ચાર બાબતો છે: મૃત્યુલોક શેઓલ, વંધ્યાનું ઉદર, વર્ષાના અભાવે તરસી ભૂમિ, અને ભભૂકી ઊઠેલી આગ! પિતાની મશ્કરી કરનાર અને વૃદ્ધ માતાની ઘૃણા કરનાર પુત્રની આંખો ખીણના કાગડા કોચી કાઢશે અને ગીધડાં તેમનો ભક્ષ કરશે. ત્રણ વાતો મને અદ્‍ભુત લાગે છે, અને ચાર બાબતો હું સમજી શક્તો નથી: આકાશમાં ઊડતા ગરુડનો માર્ગ, ખડક પર સરક્તા સાપનો માર્ગ, અને મહાસાગરમાં વહાણનો માર્ગ, અને સ્ત્રી સાથે પુરુષનો વ્યવહાર! વ્યભિચારી સ્ત્રીનું વર્તન આવું હોય છે: તે ખાઈને પોતાનું મુખ લૂછી નાખે છે; પછી કહે છે, “મેં કંઈ દુષ્કર્મ કર્યું જ નથી!” ત્રણ વાતોને લીધે ધરતી કાંપે છે, અને ચાર બાબતો તે સહન કરી શક્તી નથી; જ્યારે કોઈ ગુલામ રાજા બને છે; જ્યારે કોઈ મૂર્ખને પેટભરીને ભાવતાં ભોજન મળે છે; જ્યારે અણમાનીતી પત્ની પતિ પાસેથી વૈવાહિક અધિકાર મેળવે છે; જ્યારે દાસી શેઠાણીનું સ્થાન પ્રાપ્ત કરે છે. પૃથ્વી પર ચાર પ્રાણી નાનાં છે, પણ તે સૌથી શાણાં છે: કીડી જાતની નાજુક છે, પણ તે ઉનાળામાં ખોરાકનો સંગ્રહ કરે છે. સસલાંની જાત ખૂબ નિર્બળ છે, છતાં તેઓ ખડકોમાં પોતાના દર બનાવે છે. તીડોને કોઈ રાજા હોતો નથી, છતાં તેઓ ક્તારબદ્ધ ચાલે છે. ગરોળીને હાથથી પકડી શકાય છે, છતાં તે રાજમહેલમાં પણ મળી આવે છે. ત્રણ જાતનાં પ્રાણીઓની ચાલ દમામદાર હોય છે; ચાર પ્રાણીઓની ચાલ ગૌરવવંતી હોય છે: સિંહ પશુઓમાં સૌથી બળવાન મનાય છે, તે કોઈની સામે પોતાનો માર્ગ બદલતો નથી, ગરદન ફુલાવી ચાલતો કૂકડો, અથવા બકરો, પ્રજાની આગળ દમામભેર ચાલતો રાજા. જો તેં પોતાનાં વખાણ કરીને મૂર્ખાઈ કરી હોય, અને જો તેં કાવતરું ઘડયું હોય તો થોભીને વિચાર કર. કારણ, દહીં વલોવ્યાથી માખણ નીપજે છે, અને નાક મચડવાથી લોહી ફૂટી નીકળે છે, તેમ જ ક્રોધ છંછેડવાથી ઝઘડા ઊભા થાય છે. લમૂએલ રાજાને તેની માતાએ ભારપૂર્વક આપેલી આ ગંભીર શિખામણ છે: “મારા પુત્ર, મારી કૂખે જન્મેલા પુત્ર, મારી માનતાઓના ઉત્તરરૂપે મળેલા પુત્ર, હું તને શું કહું? સ્ત્રીઓ પાછળ તારું પૌરુષત્વ ખર્ચી નાખીશ નહિ, અને રાજાઓને બરબાદ કરનાર સ્ત્રીઓને તારું શરીર વશ કરીશ નહિ. હે લમૂએલ, દ્રાક્ષાસવ પીવો એ રાજાઓને શોભતું નથી, એ તેમને માટે ઘટારત નથી; અને મદિરાની ઝંખના કરવી રાજવીઓને માટે શોભાસ્પદ નથી. નહિ તો તે મદિરાપાન કરીને નિયમ ભૂલી જાય અને જુલમપીડિતોના હક્ક ડૂબાવી દે. મૃત્યુની અણી પર હોય તેને મદિરા અને દુ:ખમાં ડૂબેલાં હોય તેમને દ્રાક્ષાસવ આપ; તેઓ ભલે પીને પોતાની ગરીબી ભૂલી જાય, અને તેમને પોતાના દુ:ખનું વિસ્મરણ થાય. પોતાનો દાવો રજૂ ન કરી શકે તેમને માટે તું અવાજ ઉઠાવ, અને નિરાધારોના હક્કનું રક્ષણ કર. તારું મુખ ઉઘાડીને પોકાર અને તેમને ન્યાય અપાવ, અને ગરીબ તથા જુલમપીડિતોની રક્ષા કર. આદર્શ પત્ની કોને મળે? તે હીરામોતી કરતાં વધુ મૂલ્યવાન છે. તેનો પતિ તેના પર પૂરો ભરોસો રાખે છે, અને તેના પતિને કંઈ અછત રહેતી નથી. જિંદગીભર તે તેનું ભલું જ કરે છે, અને ભૂંડું કદી નહિ. તે ઊન અને અળસીરેસા પસંદ કરીને લાવે છે, અને ખંતથી પોતાનું કામ કરે છે. વ્યાપારી વહાણની જેમ તે દૂરદૂરથી પોતાનું કરિયાણું લાવે છે. તે પરોઢ થાય તે પહેલાં ઊઠીને પોતાના પરિવાર માટે ભોજનનો પ્રબંધ કરે છે, અને દાસીઓને કામ વહેંચી આપે છે. તે ખેતરની ચક્સણી કર્યા પછી તેને ખરીદે છે, અને પોતાની કમાણીમાંથી દ્રાક્ષવાડી રોપે છે. તે કમર કાસીને પરિશ્રમ માટે તૈયાર રહે છે, તે મજબૂત હાથે કામ કરે છે. તે પોતાના કામનું મૂલ્ય જાણે છે, તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી. તે જાતે જ તકલીથી કાંતે છે, અને જાતે જ પોતાનાં વસ્ત્રો વણે છે. તે જુલમ પીડિતોને અને ગરીબોને ઉદાર હાથે આપે છે. હિમ પડે ત્યારે પણ તેને કંઈ ચિંતા હોતી નથી; કારણ, તેના પરિવારના સભ્યો માટે ઊનનાં વસ્ત્રો છે. તે પથારી માટે ચાદરો બનાવે છે, અને તેનાં વસ્ત્રો જાંબુડી બારીક શણનાં છે. તેના પતિની ન્યાયસભામાં પ્રતિષ્ઠા છે, અને જાહેર સભામાં તેનું સ્થાન છે. તે સ્ત્રી અળસીરેસાનાં વસ્ત્રો અને કમરબંધ બનાવે છે, અને વેપારીઓને વેચે છે. શક્તિ અને ગૌરવ તેનાં વસ્ત્રો છે, તે ભાવિની ચિંતાને હસી કાઢે છે. તેના મુખમાંથી જ્ઞાનની વાતો નીકળે છે, અને તેની જીભ સ્નેહભરી શિખામણ આપે છે. તે પોતાના ઘરકુટુંબની બરાબર દેખરેખ રાખે છે, અને આળસની રોટલી ખાતી નથી.” તેનાં બાળકો ઊઠીને તેને ધન્યવાદ આપે છે, અને તેનો પતિ પણ તેની પ્રશંસા કરે છે. તે કહે છે, “ઘણી સ્ત્રીઓ ગુણિયલ હોય છે, પણ તું એ સર્વમાં ઉત્તમ છે.” લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પણ પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર સ્ત્રી પ્રશંસા પામશે. તેના પરિશ્રમનો તેને પૂરો પુરસ્કાર આપો; તેનાં કામ માટે જાહેરમાં. તેનું સન્માન કરો! આ સભાશિક્ષકનાં વચનો છે. તે તો દાવિદનો પુત્ર અને યરુશાલેમનો રાજા હતો. તત્ત્વચિંતક કહે છે: મિથ્યા જ મિથ્યા. મિથ્યા, અતિ મિથ્યા. બધું જ મિથ્યા છે. આ પૃથ્વી પર માણસ જે બધો શ્રમ ઉઠાવે છે તેનાથી તેને શો લાભ થાય છે? એક પેઢી આવે છે અને બીજી પેઢી જાય છે. છતાં પૃથ્વી તો સદા એવીને એવી જ રહે છે. સૂર્ય ઊગે છે અને અસ્ત થાય છે. વળી, તે પાછો પોતાના સ્થાને પહોંચી જઈ ફરીથી ઊગે છે. પવન દક્ષિણ તરફ જાય છે અને પાછો વળીને ઉત્તર તરફ જાય છે. એમ તે નિરંતર ચક્રાકાર ફર્યા કરે છે. આમ તે પોતાના માર્ગમાં જ પાછો આવે છે. પ્રત્યેક સરિતા સાગરમાં જઈ મળે છે, છતાં સાગર છલકાઈ જતો નથી. પાણી પાછું નદીઓના ઊગમસ્થાને જાય છે અને ત્યાંથી વહેવા માંડે છે. સર્વ વસ્તુઓ શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલી કંટાળાજનક છે. આંખ જોઈ જોઈને પણ ધરાતી નથી અને કાન સાંભળી સાંભળીને પણ ધરાતા નથી. અગાઉ જે બન્યું છે તે જ પાછું બનશે; અગાઉ જે કરવામાં આવ્યું છે તે જ પાછું કરાશે. પૃથ્વી પર સાચે જ નવું કશું નથી. “આ તો નવું છે,” એમ માણસ કહી શકે એવું કશું છે? ભૂતકાળમાં જે કંઈ બન્યું છે તેને વર્તમાનમાં કોઈ સંભારતું નથી, અને હવે પછી જે થનાર છે તેને પછીની પેઢીઓ પણ યાદ રાખનાર નથી. મેં તત્ત્વચિંતકે યરુશાલેમમાંથી ઇઝરાયલ પર રાજ્ય કર્યું છે. પૃથ્વી પર કરાતાં કાર્યોનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવા અને તેમનું રહસ્ય સમજવા મેં મારું મન લગાડયું છે. ઈશ્વરે મનુષ્યોને કાર્યરત રાખવા કષ્ટદાયક બોજ આપ્યો છે. પૃથ્વી પર થતાં સર્વ કાર્યો મેં જોયાં છે. તે સર્વ મિથ્યા અને હવામાં બાચકા ભરવા જેવાં છે. જે વાંકું છે તે સીધું કરી શક્તું નથી અને જેની હયાતી જ નથી તેને ગણતરીમાં લઈ શક્તું નથી. મેં મારી જાતને કહ્યું, “યરુશાલેમમાં તારી અગાઉ થઈ ગયેલા સર્વ રાજાઓ કરતાં તેં અધિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને તને જ્ઞાનનો તથા વિદ્યાનો વિશાળ અનુભવ છે.” જ્ઞાન અને મૂર્ખતા, શાણપણ અને પાગલપણા વચ્ચેનો તફાવત સમજવા મેં નિશ્ર્વય કર્યો. પણ મને સમજાયું કે તે પણ હવામાં બાચકા ભરવા જેવું છે. અધિક જ્ઞાન એટલે અધિક ચિંતા અને અધિક વિદ્યા એટલે અધિક શોક. મેં મનમાં વિચાર્યું, “ચાલો, ત્યારે મોજશોખ ભોગવી લઈએ, જેથી સુખ શું છે તે શોધી શકાય.” છતાં એ પણ અનુભવે મિથ્યા જણાયું. મને સમજાયું કે હાસ્યવિનોદ પણ પાગલપણું છે અને મોજશોખથી કશો લાભ થતો નથી. પૃથ્વી પરનું પોતાનું અલ્પ આયુષ્ય પસાર કરવાનો મનુષ્ય માટે કયો માર્ગ ઉત્તમ છે તેની ચક્સણી કરી જોવા મારા મનને જ્ઞાનના પ્રભાવ હેઠળ રહેવા દઈ મારા તનને મદિરાપાનથી આનંદિત કરવાનો પ્રયાસ કરવાની મૂર્ખાઈ મેં કરી. મેં મોટાં મોટાં કામો કર્યાં. મેં મારે માટે મહેલ બાંયા અને દ્રાક્ષવાડીઓ રોપાવી. મેં મારે માટે ઉદ્યાનો અને ફળવાડીઓ બનાવી અને તેમાં સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં. મેં તેમને પાણી પાવા માટે જળાશયો ખોદાવ્યાં. મેં દાસદાસીઓ ખરીદ્યાં. વળી, મારા મહેલમાં જન્મેલા નોકરો પણ મારી પાસે હતા. યરુશાલેમમાં મારા કોઈપણ પુરોગામી કરતાં મારી પાસે ગાયબળદ તથા ઘેટાંબકરાની અધિક સંપત્તિ હતી. મેં સોનુંરૂપું તથા રાજાઓ અને પ્રદેશના ખજાનાઓ એકઠા કર્યા. ગાયકગાયિકાઓ મને મનોરંજન પૂરું પાડતા અને પુરુષો જેમાં આનંદ માને છે તે એટલે ઘણી ઉપપત્નીઓ પણ મારી પાસે હતી. આ રીતે યરુશાલેમના મારા બધા પુરોગામીઓ કરતાં હું વધુ પ્રતાપી અને સંપત્તિવાન બન્યો. મારું જ્ઞાન પણ મારામાં કાયમ રહ્યું હતું. મારી આંખોને જે કંઈ પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તે મેં પ્રાપ્ત કર્યું. કોઈપણ પ્રકારના આનંદપ્રમોદથી મેં મારી જાતને વંચિત રાખી નહિ. મારા પરિશ્રમનાં સર્વ કાર્યોનો એ મારો પુરસ્કાર હતો. તે પછી મેં જે કાર્યો કર્યાં હતાં અને તે કરવામાં જે પરિશ્રમ ઉઠાવ્યો હતો તે અંગે વિચાર કર્યો અને મને સમજાયું કે તે મિથ્યા અને હવામાં બાચકા ભરવા સમાન હતું. પૃથ્વી ઉપર કશામાં મને લાભ જણાયો નહિ. રાજા પોતાના પુરોગામી રાજા કરતાં વિશેષ શું કરી શકે? અગાઉ જે કરાયું હોય તે જ તે કરી શકે. તેથી મેં જ્ઞાન, પાગલપણું, અને મૂર્ખાઈ વિશે વિચાર કર્યો. મેં જોયું કે જેમ પ્રકાશ અંધકારથી વધારે સારો છે તેમ જ્ઞાન મૂર્ખતાથી વિશેષ ચઢિયાતું છે. જ્ઞાનીની આંખો તેના માથામાં છે. તે પોતાનો માર્ગ જોઈ શકે છે, જયારે મૂર્ખ અંધકારમાં ચાલે છે. છતાં મને માલૂમ પડયું કે એ બધાનું ભાવિ સરખું જ છે. ત્યારે મેં મારા મનમાં કહ્યું, “જે દશા મૂર્ખની થાય છે તે જ મારી પણ થવાની છે. ત્યારે હું વધુ જ્ઞાની છું તેથી મને શો લાભ થયો?” મેં મારી જાતને કહ્યું, “એ પણ મિથ્યા છે.” નથી કોઈ જ્ઞાનીને સંભારતું કે નથી કોઈ મૂર્ખને. ભવિષ્યમાં આપણે બધા ભુલાઈ જઈશુ. જ્ઞાની પણ મૂર્ખની જેમ જ મરે છે! તેથી મને જિંદગી પ્રત્યે ધૃણા ઊપજી. કારણ, આ પૃથ્વી ઉપર જે કામો કરવામાં આવે છે તે મને દુ:ખદાયક થઈ પડયાં છે. બધું જ મિથ્યા છે, હવામાં બાચકા ભરવા સમાન છે. પૃથ્વી ઉપર કરેલાં પરિશ્રમયુક્ત કાર્યો પ્રત્યે મને તિરસ્કાર ઉપજ્યો. કારણ, મારે તેનાં ફળ મારા વારસદાર માટે છોડી જવાં પડશે. મારા પછી આવનાર જ્ઞાની થશે કે મૂર્ખ તે કોણ જાણે છે? છતાં પૃથ્વી પર મારા સર્વ પરિશ્રમનું ફળ તે ભોગવશે, અને જે કંઈ મારી બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કર્યું છે તે સર્વ પર તે અધિકાર ભોગવશે. તે પણ મિથ્યા છે. તેથી પૃથ્વી પર મેં કરેલા સંપૂર્ણ પરિશ્રમ પ્રત્યે મને નિરાશા ઊપજી. એક માણસ બુદ્ધિ, જ્ઞાન અને કૌશલ્ય વડે પરિશ્રમ કરે છે, પણ તેના ફળ માટે કશો જ પરિશ્રમ ન કરનાર બીજાને માટે તે વારસામાં છોડીને જાય છે. આ પણ મિથ્યા અને વ્યર્થ છે. મન લગાડીને કરેલ તેના પરિશ્રમ માટે માણસને શો લાભ થાય છે? કારણ, તેના સર્વ દિવસો દુ:ખમય તથા તેનો પરિશ્રમ સંતાપજનક છે; રાત્રે તેના મનને ચેન પડતું નથી. આ પણ મિથ્યા છે. મનુષ્ય ખાય, પીએ અને આનંદ સાથે પરિશ્રમ કરે એના કરતાં એને માટે બીજું કશું વધારે સારું નથી. મેં જોયું છે કે એ પણ ઈશ્વરના હાથની વાત છે. કારણ, ઈશ્વરની ઇચ્છા વિના કોણ ખાઈ શકે અથવા કોણ સુખ ભોગવી શકે? જે માણસ પર ઈશ્વર પ્રસન્‍ન થાય છે તેને તે જ્ઞાન, વિદ્યા અને આનંદ આપે છે, પણ પાપીને તો તે એકઠું કરીને સંગ્રહ કરવાના કામે લગાડે છે; જેથી જેના પર ઈશ્વર પ્રસન્‍ન છે તેને તે આપે. આ પણ મિથ્યા ને હવામાં બાચકા ભરવા સમાન છે. પ્રત્યેક બાબત માટે નિશ્ર્વિત સમય હોય છે. પ્રત્યેક સમય માટે ચોક્કસ મોસમ હોય છે. જન્મનો સમય અને મૃત્યુનો સમય, રોપવાનો સમય અને રોપેલું ઉખાડી નાખવાનો સમય, ઘા કરવાનો સમય અને સાજા કરવાનો સમય, તોડવાનો સમય અને બાંધવાનો સમય, રડવાનો સમય અને હસવાનો સમય, શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય, સહવાસનો સમય અને સહવાસથી દૂર રહેવાનો સમય, આલિંગન કરવાનો સમય અને આલિંગન ન કરવાનો સમય, સંગ્રહ કરવાનો સમય અને વિખેરી નાખવાનો સમય, *** ફાડવાનો સમય અને સાંધવાનો સમય, ચૂપ રહેવાનો સમય અને બોલવાનો સમય, પ્રેમ કરવાનો સમય અને દ્વેષ કરવાનો સમય, યુદ્ધનો સમય અને શાંતિનો સમય. માણસને પોતાની મહેનતથી શો લાભ થાય છે? ઈશ્વરે મનુષ્યોને કાર્યરત રાખવા કષ્ટદાયક બોજો આપ્યો છે. ઈશ્વરે ઉત્પન્‍ન કરેલ દરેક બાબત તેના ઉચિત સમયમાં સુંદર લાગે છે. તેમણે મનુષ્યોના મનમાં ભાવિ અનંતની ઝંખના મૂકી છે, તેમ છતાં અથથી ઇતિ સુધી ઈશ્વર શું કરે છે તેનો મનુષ્યો પાર પામી શક્તા નથી. *** હું જાણું છું કે મનુષ્ય પોતાની જિંદગીપર્યંત આનંદમાં રહે અને ભલું કરે તે કરતાં મનુષ્ય માટે બીજું કશું વધારે સારું નથી. માણસ ખાય, પીએ અને પોતાની મહેનતનું ફળ ભોગવે એ ઈશ્વરનું વરદાન છે. હું જાણું છું કે માત્ર ઈશ્વરનાં જ કાર્યો ટકી રહેવાનાં છે; તેમાં ન કશું વધારી શકાય કે ન કશું ઘટાડી શકાય. માણસો તેમનો ડર રાખે તે માટે ઈશ્વર તેવું કરે છે. જે છે તે પહેલાં થઈ ગયેલું છે; જે થવાનું છે તે પણ પહેલાં થઈ ગયેલું છે. ઈશ્વર પ્રત્યેક વસ્તુનું પુનરાવર્તન થવા દે છે. મેં પૃથ્વી પર જોયું કે ન્યાયને સ્થાને દુષ્ટતા અને ધાર્મિક્તાને સ્થાને અધર્મ છે. મેં મારા મનમાં વિચાર્યું છે, તેથી ઈશ્વર સદાચારી અને દુરાચારી બધાંનો અદલ ન્યાય કરશે. મેં મનુષ્યો વિષે મારા મનમાં વિચાર્યું છે કે ઈશ્વર તેમની ક્સોટી કરે છે, જેથી તેઓ સમજે કે તે પશુથી વિશેષ નથી. મનુષ્ય અને પશુ બંનેનું ભાવિ એક જ છે. જેમ પશુ મરે છે તેમ જ માણસ મરે છે. બધામાં એક જ પ્રાણ હોય છે. મનુષ્યો પશુઓ કરતાં જરાય ચડિયાતા નથી. એ બન્‍ને એક જ જગ્યાએ જાય છે. સર્વ માટીમાંથી જન્મે છે ને પાછાં માટીમાં મળી જાય છે. મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુનો આત્મા નીચે ધરતીમાં જાય છે, તેની કોને ખબર છે? તેથી મને સમજાયું કે માણસ પોતાના કામમાં આનંદ અનુભવે તેથી ઉત્તમ બીજું કશું નથી. એ જ તેનો હિસ્સો છે. મૃત્યુ પછી તેનું શું થવાનું છે તે તેને કોણ કહી શકે? પછી મેં પૃથ્વી પર થતા જુલમો જોયા. મેં જુલમ વેઠનારાઓનાં આંસુ નિહાળ્યાં, પરંતુ તેમને દિલાસો દેનાર કોઈ નહોતું. તેમના પર અત્યાચાર ગુજારનારાઓના પક્ષમાં બળ હતું, પરંતુ પીડિતોને સહાય કરનાર કોઈ નહોતું. તેથી તો હું મૃત્યુ પામી ચૂકેલાંને જીવતાઓ કરતાં સુખી માનું છું. પરંતુ એ બન્‍ને કરતાં જેઓ હજી જન્મ્યાં જ નથી, ને જેમણે પૃથ્વી પર થતાં ભૂંડાં કૃત્યો જોયાં જ નથી તે વધારે સુખી છે. મેં જોયું કે સફળ થવા માટેના માણસના કઠોર પરિશ્રમના મૂળમાં તેમના પડોશીઓ પાસેની વસ્તુઓ અંગેની ઈર્ષ્યા છે. આ પણ મિથ્યા અને હવામાં બાચકા ભરવા સમાન છે. મૂર્ખ હાથ જોડીને બેસી રહે છે અને એમ ભૂખે મરે છે. શ્રમ વેઠીને તથા હવામાં બાચકા ભરીને ખોબેખોબા મેળવવા કરતાં મનની શાંતિ સહિત મૂઠીભર મળે તે સારું છે. મેં પૃથ્વી પર એક બીજી મિથ્યા બાબત જોઈ. એક મનુષ્ય એકલો જ છે. તેને નથી ભાઈ કે નથી પુત્ર. છતાં તેની મહેનતનો પાર નથી. તેની આંખો ધનસંપત્તિથી તૃપ્ત થતી નથી. તે પોતે વિચારતો નથી કે હું કોને માટે આ પરિશ્રમ ઉઠાવું છું અને મારી જાતને શા માટે સુખચેનથી વંચિત રાખું છું? આ પણ વ્યર્થતા અને ભારે દુ:ખ છે. એક કરતાં બે ભલા; કારણ, તેઓ સાથે મળીને વધુ અસરકારક કામ કરી શકે છે. જો એક પડી જાય તો બીજો પોતાના સાથીને ઊભો કરે છે; પણ પડતી વેળાએ તે એકલો હોય તો તેને કોણ ઊભો કરે? વળી જો બે જણ સાથે સૂએ તો તેમને હૂંફ રહે, પણ એકલો માણસ કેવી રીતે હૂંફ પ્રાપ્ત કરે? એકલા પર હુમલો કરનાર તેને હરાવી શકે, પણ બે જણ હુમલો કરનારનો પ્રતિકાર કરી શકે. ત્રેવડી વણેલી દોરી જલદી તૂટી જતી નથી. કોઈ એક દરિદ્ર માણસ પોતાના દેશનો રાજા બને અને જેલમાંથી રાજસિંહાસન સુધી પહોંચી જાય, પણ પોતાની વૃદ્ધાવસ્થામાં સલાહ ન સ્વીકારવાની મૂર્ખતા દાખવે, તો એના કરતાં કોઈ ગરીબ પણ શાણો જુવાન વધુ સારો. *** આ પૃથ્વી પર વસનારાઓનો વિચાર કરતાં મેં જોયું કે પેલો યુવાન વૃદ્ધ રાજાનું સ્થાન લેશે અને લોકો તેના પક્ષમાં રહેશે. એ રાજાને અનુસરનાર અગણિત પ્રજાજનો હોય તોપણ પછીની પેઢીના લાકો તેનાથી પ્રસન્‍ન થશે નહિ. સાચે જ આ પણ વ્યર્થ અને હવામાં બાચકા ભરવા જેવું છે. તું ઈશ્વરના મંદિરમાં જાય ત્યારે સંભાળીને જજે. મૂર્ખોની માફક યજ્ઞાર્પણ ચડાવવા કરતાં ઈશ્વરમંદિરમાં શિક્ષણ પ્રાપ્ત કરવા જવું સારું છે; કારણ, મૂર્ખો પાસે સાચાખોટાનો વિવેક નથી. વિચારીને બોલ, અને ઈશ્વર આગળ ઉતાવળથી વચનો ન આપ. ઈશ્વર આકાશમાં છે ને તું પૃથ્વી પર; તેથી તારે કહેવાનું હોય તેથી વિશેષ કંઈ ન કહે. પુષ્કળ કામની ચિંતાથી પુષ્કળ સ્વપ્નો આવે છે અને વધુ બકવાસ કરવાથી મૂર્ખની મૂર્ખતા પ્રગટ થાય છે. જ્યારે તું ઈશ્વર આગળ માનતા માને ત્યારે તે પૂરી કરવામાં વિલંબ ન કરીશ, કારણ, ઈશ્વર મૂર્ખો પર રાજી નથી. તારી માનતા પૂરી કર. માનતા માનીને પૂરી ન કરવા કરતાં માનતા ન માનવી એ સારું છે. તારા મુખના શબ્દો તને પાપમાં દોરી ન જાય, નહિ તો તારે ઈશ્વરના યજ્ઞકાર સમક્ષ “મારાથી ભૂલ થઈ ગઈ છે.” એમ કહેવું પડશે. તારે શા માટે બોલવામાં ઈશ્વરને કોપાયમાન કરવા અને પરિશ્રમપૂર્વક કરાયેલા તારા કામને નષ્ટ કરાવવું? અધિક સ્વપ્નો અને બિનજરૂરી વાતો નકામાં છે; પણ તું ઈશ્વરનો ડર રાખ. જો તું કોઈ રાજ્યમાં ગરીબો પર જુલમ થતો જુએ અને તેમના ન્યાય અને હક્ક ઊંધા વળાતા જુએ તો તેથી તું આશ્ર્વર્ય પામીશ નહિ; કારણ, ત્યાં દરેક અધિકારીને તેના ઉપરી અધિકારીનું રક્ષણ હોય છે અને તે બન્‍નેને તેમના સૌથી મોટા અધિકારીનું રક્ષણ હોય છે. વળી, બીજાઓની જેમ રાજાનો આધાર પણ ખેતીના પાક ઉપર હોય છે. પૈસા પર પ્રેમ રાખનારો કદી પૈસાથી સંતુષ્ટ થતો નથી. ધનસંપત્તિ પર પ્રેમ રાખનાર તેની સમૃદ્ધિથી તૃપ્ત થતો નથી. સંપત્તિ વધે છે ત્યારે ખાનારાં પણ વધે છે. તેના માલિકને તેનાથી શો લાભ? એ જ કે પોતે સંપત્તિવાન છે એટલું તે જાણે છે. મજૂર થોડું ખાય કે ઘણું, પણ તેની ઊંઘ મીઠી હોય છે; પણ ધનવાનની સંપત્તિ તેને ઊંઘવા દેતી નથી. મેં પૃથ્વી પર એક દુ:ખદ બાબત જોઈ છે: માણસ પોતાના દુ:ખના સમય માટે ધનનો સંગ્રહ કરે છે. પછી તે કોઈ અવિચારી સાહસમાં નાશ પામે છે, અને તેનાં બાળકોના હાથમાં પણ કંઈ આવતું નથી. તે જેવો પોતાની જનેતાની કૂખે જન્મ્યો હતો તેવો જ કશું લીધા વગર પાછો જાય છે. તે પોતાના પરિશ્રમનું કંઈ ફળ પોતાની સાથે લઈ જઈ શકશે નહિ. આ પણ ભારે દુ:ખ છે. જેવો આવ્યો હતો તેવો જ પાછો જાય છે. હવામાં બાચકા ભરવા જેવી કરેલી મહેનતથી તેને શો લાભ થયો? વળી, તેને તેનું આખું આયુષ્ય અંધકારમાં, દુ:ખમાં અને ચિંતામાં, ક્રોધમાં અને રોગમાં વ્યતીત કરવું પડે છે. મેં આ અનુભવ્યું છે અને એ ઉચિત પણ લાગે છે કે ઈશ્વરે આપેલા આ અલ્પ આયુષ્યમાં મનુષ્યને માટે આ દુનિયામાં ખાવું, પીવું ને પોતાના પરિશ્રમનાં ફળ માણવાં એ જ સારું છે. એ જ તેનું ભાવિ છે. જે મનુષ્યને ઈશ્વરે ધન, સંપત્તિ અને તેમનો ઉપભોગ કરવાની શક્તિ આપ્યાં છે તેણે પોતાની પરિસ્થિતિનો ઉપકાર સહિત સ્વીકાર કરીને આનંદપૂર્વક પરિશ્રમ કરવો જોઈએ. પોતાનું આયુષ્ય કેટલુ અલ્પ છે તેની તે ચિંતા કરશે નહિ, કારણ, ઈશ્વરે તેના અંત:કરણને આનંદથી ભર્યું હશે. મેં આ પૃથ્વી પર એક બીજી મોટા દુ:ખની બાબત જોઈ છે, જેના ભાર નીચે માણસો કચડાય છે. ઈશ્વર કોઈને ધન, સંપત્તિ તથા સન્માન આપે છે. તે જે કંઈ ઇચ્છે છે તે તેને પ્રાપ્ત થાય છે. પણ ઈશ્વર તેને પોતાની ધનસંપત્તિનો ઉપભોગ કરવાની શક્તિ આપતા નથી, પણ કોઈ અજાણ્યો જ તેમનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા અને ભારે દુ:ખની વાત છે. કોઈ માણસને સો બાળકો હોય અને તેની આવરદા લાંબું હોય તો તે ગમે તેટલું લાંબુ જીવે તોય તેને સુખ ન મળે અને મૃત્યુ પછી તેની યોગ્ય દફનક્રિયા પણ ન થાય, તો હું કહીશ કે તેવા માણસ કરતાં ક્સમધ્યે જન્મેલ મૃત બાળક સારું છે. એવું બાળક વ્યર્થતારૂપે આવે છે, અંધકારમાં લોપ થઈ જાય છે અને તેનું નામ પણ અંધકારમાં ઢંકાઈ જાય છે. તેણે સૂર્યને કદી જોયો નથી, તેણે કદી કશું જાણ્યું-અનુભવ્યું નથી, છતાં તેને પેલા દીર્ઘાયુ માણસ કરતાં વધુ વિશ્રામ મળ્યો છે. કારણ, તે માણસ ભલે બે હજાર વર્ષ જીવે, છતાં તેણે જીવનનું કશું સુખ ભોગવ્યું નહિ. ખરેખર તો એવાં બધાંયે એક જગ્યાએ જતાં નથી? મનુષ્ય પોતાનું પેટ ભરવા માટે જ બધો પરિશ્રમ કરે છે, છતાં તે ક્યારેય ધરાતો નથી. મૂર્ખના કરતાં જ્ઞાનીને વધુ શો લાભ છે? મનુષ્યો સાથે વર્તવાની રીત સમજનાર ગરીબ માણસને વધુ શો લાભ છે? કશાની સદા ખેવના કર્યા કરવા કરતાં જે છે તેનાથી સંતુષ્ટ રહેવું તે સારું છે; એ પણ વ્યર્થ અને હવામાં બાચકા ભરવા જેવું છે. હાલ જે કંઈ બને છે તે ઘણા સમય પહેલાં નક્કી થયેલું હતું. આપણે બધા જાણીએ છીએ કે માણસ પોતાથી વધુ શક્તિશાળી સાથે દલીલ કરી શક્તો નથી. વધારે દલીલો તેમ વધારે વ્યર્થતા. તેથી દલીલોથી માણસને શો ફાયદો થાય છે? મનુષ્ય પોતાનું ક્ષણિક જીવન પડછાયાની જેમ વ્યર્થ વિતાવે છે. તેને માટે જીવનમાં ઉત્તમ શું છે તે કોણ જાણે છે? તેના મૃત્યુ પછી આ પૃથ્વી પર શું થવાનું છે તે મનુષ્યને કોણ કહી શકે? મૂલ્યવાન અત્તર કરતાં નામની કીર્તિ સારી છે અને જન્મના દિવસ કરતાં મૃત્યુનો દિવસ વધારે સારો છે. મિજબાનીના ઘરમાં જવા કરતાં મૃત્યુને લીધે શોકપીડિત ઘરમાં જવું સારું છે; કારણ, મૃત્યુ એ સર્વ માણસોનો અંત છે. દરેક જીવંત વ્યક્તિએ આ વાત સદા સ્મરણમાં રાખવી જોઈએ. હાસ્ય કરતાં વિષાદ સારો, કારણ, વિષાદ ચહેરાને દુ:ખી બનાવે છે, પણ સમજને તેજ કરે છે. બુદ્ધિમાનનું ચિત્ત શોકપીડિત ઘરમાં હોય છે પરંતુ મૂર્ખનું મન આનંદપ્રમોદના ઘરમાં હોય છે. મૂર્ખનાં પ્રશંસાગીત સાંભળવા કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો સારો. મૂર્ખનું હસવું હાલ્લાં નીચે સળગતા કાંટાના તડતડાટ જેવું છે. તે પણ મિથ્યા છે. જુલમ બુદ્ધિમાનને પણ મૂર્ખ બનાવે છે અને લાંચ ચારિયને ભ્રષ્ટ કરે છે. કાર્યના આરંભ કરતાં તેનો અંત સારો અને અહંકારી કરતાં ધીરજવાન સારો. ગુસ્સે થવામાં ઉતાવળા થવું નહિ. કારણ, ગુસ્સો મૂર્ખના હૃદયમાં વસે છે. વીતેલો સમય આજના સમય કરતાં કેમ સારો હતો એવો પ્રશ્ર્ન ઉઠાવીશ નહિ. કારણ, એવો પ્રશ્ર્ન ડહાપણયુક્ત નથી. જીવિત વ્યક્તિઓ માટે જ્ઞાન લાભદાયી છે; કારણ ધનસંપત્તિ કરતાં બુદ્ધિ ઉત્તમ છે. ધનની સલામતી કરતાં જ્ઞાનની સલામતી સારી છે; જ્ઞાન તો પોતાને ધરાવનારનું રક્ષણ કરે છે, એ તેનો લાભ છે. ઈશ્વરનાં કાર્યો વિશે વિચાર કરો. ઈશ્વરે જેને વાંકું બનાવ્યું છે તેને કોણ સીધું કરી શકે? સુખના દિવસોમાં આનંદ કર ને દુ:ખના દિવસોમાં વિચાર કે ઈશ્વરે સુખદુ:ખને એકબીજાનાં સાથી બનાવ્યાં છે. હવે પછી શું થવાનું છે તે કોઈ માણસ જાણી શકતું નથી. મેં મારા વ્યર્થ જીવનમાં ઘણું બધું નિહાળ્યું છે: નેક માણસ તેની નેકી છતાં માર્યો જાય છે અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા છતાં દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે. તેથી વધુ પડતી ભલાઈ ન દાખવવી; તેમ જ વધુ પડતું શાણપણ પણ દાખવવું નહિ. શા માટે પોતે પોતાનો નાશ કરવો? વળી, અતિશય દુષ્ટ ન થવું તેમજ અતિશય મૂર્ખ ન થવું. શા માટે અકાળ મૃત્યુનો ભોગ બનવું. સારી વાત તો એ છે કે કોઈપણ બાબતનો અતિરેક ટાળવો. કારણ, ઈશ્વરનો ડર રાખનાર સર્વ સંજોગોમાં સફળતા પ્રાપ્ત કરે છે. નગરના દસ શાસકો કરતાં જ્ઞાન જ્ઞાનીને અધિક શક્તિશાળી બનાવે છે. જે સર્વદા સારું જ કરે છે અને કદી કશું પાપ કરતો જ નથી એવો માણસ પૃથ્વી પર છે જ નહિ. માણસના પ્રત્યેક શબ્દ પર લક્ષ ન આપ, નહિ તો તારે તારા દાસ દ્વારા તને અપાતો શાપ સાંભળવો પડશે. કારણ, તારું હૃદય જાણે છે કે તેં પણ ઘણીવાર બીજાઓને શાપ દીધો છે. મેં આ સર્વની બુદ્ધિ દ્વારા ક્સોટી કરી છે. મેં જ્ઞાની થવાનો નિશ્ર્વય કર્યો, પણ જ્ઞાન તો મારાથી દૂર જ રહ્યું. જીવનનું રહસ્ય કોણ પામી શકે? તે આપણે માટે અતિગહન અને સમજવા માટે અતિ મુશ્કેલ છે. મેં જ્ઞાન મેળવવામાં, તેને શોધી કાઢવામાં અને સર્વ વસ્તુઓનો સાર શોધવામાં મન લગાડયું અને મને માલૂમ પડયું કે દુષ્ટતા તે જ મૂર્ખાઈ છે અને મૂર્ખતા એ પાગલપણું છે. મને સમજાયું કે સ્ત્રીની ફસામણી મૃત્યુથી યે વધુ ક્રૂર છે. તેનું હૃદય જાળરૂપ છે અને તેના હાથ બેડીઓ સમાન છે. જે કોઈ ઈશ્વરને પ્રસન્‍ન કરે છે તે તેનાથી બચી જશે, પણ પાપી તેનાથી પકડાઈ જશે. તત્ત્વચિંતિકા કહે છે કે બધાને એકબીજાની સાથે સરખાવી જોતાં મને આટલી ખબર પડી છે: મને હજારમાં એક સાચો પુરુષ મળ્યો છે, પણ હજારમાં એકે સાચી સ્ત્રી મળી નથી. મને તો એટલું જ સમજાયું છે કે ઈશ્વરે તો માણસને સીધોસાદો બનાવ્યો હતો, પરંતુ માણસે ઘણી યુક્તિઓ શોધી કાઢી છે. જ્ઞાનીને કોની સાથે સરખાવી શકાય? માત્ર જ્ઞાની જ દરેક વાતનો અર્થ જાણે છે. જ્ઞાનને કારણે માણસનું મુખ તેજસ્વી બને છે, અને તેના ચહેરાની કઠોરતા દૂર થઈ જાય છે. ઈશ્વરની સમક્ષ લીધેલા શપથને લીધે રાજાની આજ્ઞા પાળ અને તેનો વગર વિચાર્યે ભંગ ન કર. રાજાની હજૂરમાં વધુ સમય રોકાઈશ નહિ, કારણ, તે ચાહે તે કરી શકે છે. એવી ભયજનક જગ્યાએ ઊભો ન રહે. રાજાનો શબ્દ સર્વોપરી હોય છે. તમે આ શું કરો છો એવું તેને કોણ કહી શકે? જે મનુષ્ય આજ્ઞા પાળે છે તેને કશું નુક્સાન થતું નથી; અને જ્ઞાની મનુષ્ય યોગ્ય સમય અને યોગ્ય કાર્યપદ્ધતિ જાણે છે. દરેક વાતને માટે તેનો યોગ્ય સમય અને યોગ્ય કાર્યપદ્ધતિ હોય છે. છતાં માણસને માથે ભારે દુ:ખ છે. કારણ, મનુષ્ય શું થવાનું છે તે જાણતો નથી. ભવિષ્યમાં શું થનાર છે તે તેને કોણ કહી શકે? પોતાના નીકળતા પ્રાણને રોકવાની કોઈ મનુષ્યની તાક્ત નથી અથવા તે પોતાના મૃત્યુના દિવસને પાછો ઠેલી શક્તો નથી. એ યુદ્ધમાંથી કોઈને છુટકારો મળતો નથી. છેતરપિંડી કરીને ય કોઈ એનાથી છટકી શકતું નથી. મેં જ્યારે પૃથ્વી પર થતાં કાર્યો પર ગંભીરતાથી વિચાર કર્યો ત્યારે મેં જોયું કે દુનિયામાં એક મનુષ્ય બીજા મનુષ્ય પર સત્તા જમાવી તેને નુક્સાન પહોંચાડે છે. મેં દુષ્ટોને કબરોમાં દટાતા જોયા છે, પરંતુ જ્યાં એ દુષ્ટોએ દુષ્ટતા આચરી હતી તે શહેરમાં જ કબરસ્તાનમાંથી પાછા ફરેલા લોકો તેમની પ્રશંસા કરતા હોય છે. આ પણ મિથ્યા છે. દુષ્કર્મ માટે વ્યક્તિને જલદી શિક્ષા થતી નથી. તેથી મનુષ્યોનું હૃદય દુષ્કર્મો કરવામાં ચોંટેલું રહે છે. અપરાધી માણસ સેંકડોવાર દુષ્કર્મો કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે તો પણ હું જાણું છું કે માત્ર ઈશ્વરનો ડર રાખનારનું જ કલ્યાણ થાય છે. પણ દુષ્ટનું ભલું થશે નહિ. કારણ, તે ઈશ્વરનો ડર રાખતો નથી અને તેનું જીવન પડછાયાની જેમ લંબાશે નહિ. પૃથ્વી પર એક બીજી વ્યર્થતા પણ છે. દુરાચારીને થવી જોઈતી સજા સદાચારીને થાય છે અને સદાચારીને મળવો જોઈતો પુરસ્કાર દુરાચારીને મળે છે. તેથી હું આનંદથી જીવવાની ભલામણ કરું છું. કારણ, ખાવું, પીવું અને મોજમઝા કરવી તે વિના માણસ માટે દુનિયામાં બીજું કંઈ સારું નથી. ઈશ્વરે આ દુનિયામાં તેને આપેલા આયુષ્યમાં તેણે કરેલા પરિશ્રમના ફળરૂપે તેને એટલું તો મળવું જોઈએ. મેં જ્ઞાન સંપાદન કરવામાં તથા દુનિયા પર ચાલતાં કામો જોવામાં મારું મન લગાડયું તો મને જણાયું કે માણસો દિવસ કે રાતે નિદ્રા લીધા વિના ગમે તેટલી મહેનત કરે, તો પણ તે આ દુનિયામાં ઈશ્વરનાં કાર્યોનો ભેદ સમજી શક્તા નથી. કોઈક બુદ્ધિમાન વ્યક્તિ તે ભેદ જાણવાનો દાવો કરતી હોય, તો પણ તે એ સત્ય જાણી શક્તી નથી. આ બધા વિશે ઊંડો વિચાર કરતાં મને સમજાયું કે સદાચારીઓ અને જ્ઞાનીઓ તથા તેમનાં કામો, તેમનાં પ્રેમ અને ઘૃણા પણ ઈશ્વરના હાથમાં છે. ભવિષ્યમાં શું થનાર છે તે વિશે કોઈ કશું જાણતું નથી. એનાથી કંઈ ફરક પણ પડતો નથી. સદાચારી અને દુરાચારી, ભલા અને ભૂંડા, શુદ્ધ અને અશુદ્ધ, યજ્ઞ કરનાર અને ન કરનાર સૌનું ભાવિ એક જ છે. જેવી સજ્જનની તેવી જ દુર્જનની હાલત થાય છે. સોગન ખાનાર અને સોગનથી ડરનાર બન્‍નેનું ભાવિ એક જ છે. આ પૃથ્વી પર જે કંઈ થાય છે તેમાં આ જ મોટું અનિષ્ટ છે કે સૌનું ભાવિ એક જ છે. મનુષ્યોનાં હૃદય ભૂંડાઈથી ભરેલાં હોય છે. જિંદગીભર તેમનાં હૃદયોમાં બેવકૂફી હોય છે અને પછી તેઓ મૃત્યુ પામે છે. જે માણસનો સંબંધ જીવતાંઓ સાથે છે તેને માટે આશા છે; મૂએલા સિંહ કરતાં જીવતો કૂતરો સારો છે. જીવતાંઓ જાણે છે કે તેઓ મૃત્યુ પામવાનાં છે. પરંતુ મૃત્યુ પામેલાં તો કંઈ જાણતા નથી. હવે તેમને કશો બદલો મળવાનો નથી. તેમની તો યાદગીરી પણ ભુલાઈ ગઈ છે. તેમનો પ્રેમ, તેમનો દ્વેષ, અને તેમની કામનાઓ સર્વ નષ્ટ થયાં છે. દુનિયા પર જે કંઈ બનાવો બને છે તેમાં તે કદી ભાગ લઈ શકવાના નથી. જા, આનંદથી તારું ભોજન ખા અને ઉમંગથી દ્રાક્ષાસવ પી, કારણ, તારાં કામનો ઈશ્વરે સ્વીકાર કર્યો છે. હંમેશા સુખી અને આનંદી રહે. આ દુનિયામાં ઈશ્વરે તને જે અલ્પ આયુષ્ય આપ્યું છે તે દરમ્યાન તારી પ્રિય પત્ની સાથે જીવનનો આનંદ ભોગવી લે. કારણ, આ દુનિયામાં અને આ જીવનમાં તું જે પરિશ્રમ ઉઠાવે છે તેમાં એ જ તારો હિસ્સો છે. જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી. વળી, આ દુનિયામાં મેં એવું પણ નિરીક્ષણ કર્યું કે ઝડપી દોડનાર જ હમેશાં શરતમાં વિજયી બને અથવા બળવાન યોદ્ધા જ લડાઈમાં જીતે એવું નથી. બુદ્ધિમાનને જ હમેશાં ભોજન મળે, બુદ્ધિશાળીને જ ધનસંપત્તિ મળે અથવા કુશળ માણસો જ ઊંચી પદવી પ્રાપ્ત કરે એવું પણ નથી. પરંતુ એ બધું સમય અને સંજોગોને આધીન હોય છે. પોતાનો સમય ક્યારે આવશે તે કોઈ માણસ જાણતો નથી. જાળમાં સપડાઈ જતી માછલીની જેમ, ફાંદામાં ફસાઈ જતા પક્ષીની જેમ મનુષ્યો માઠા સમયની જાળમાં અચાનક ફસાઈ જાય છે. મેં પૃથ્વી પર ડહાપણની એક વાત જોઈ અને તે મને મહત્ત્વપૂર્ણ લાગી. ઓછી વસ્તીવાળું એક નાનું નગર હતું. એક મોટા રાજાએ તેના પર આક્રમણ કરી તેને ઘેરો ઘાલ્યો અને તેની સામે મોટા મોરચા બાંયા. આ નાના નગરમાં એક ગરીબ પણ બુદ્ધિમાન માણસ રહેતો હતો. તેણે પોતાની બુદ્ધિથી નગરને બચાવ્યું છતાં પણ તે ગરીબ માણસને કોઈએ સંભાર્યો નહિ. ત્યારે મેં કહ્યું કે બળ કરતાં બુદ્ધિ ઉત્તમ છે, તેમ છતાં ગરીબ માણસની બુદ્ધિને તુચ્છ ગણવામાં આવે છે અને તેના કહેવા પર કોઈ ધ્યાન દેતું નથી. મૂર્ખોના સરદારના પોકારો કરતાં જ્ઞાનીઓના શાંત શબ્દો સાંભળવા એ સારું છે. યુદ્ધનાં શસ્ત્રો કરતાં બુદ્ધિ ચડિયાતી છે. પણ એક પાપી માણસ ઘણી ઉત્તમતાનો નાશ કરે છે. મરેલી માખીઓ અત્તરને દુર્ગંધ મારતું કરી નાખે છે, તેમ થોડી મૂર્ખાઈ જ્ઞાન અને સન્માનને દબાવી દે છે. જ્ઞાનીનું મન તેને ઉચિત માર્ગે લઈ જાય છે, પરંતુ મૂર્ખનું મન તેને ભૂંડાઈ પ્રતિ દોરે છે. મૂર્ખ રસ્તા પર ચાલે છે ત્યારે અન્ય રાહદારીઓ સમક્ષ પણ તેની મૂર્ખતા ઉઘાડી પડી જાય છે અને દરેક સમજી જાય છે કે તે મૂર્ખ છે. જો તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તોપણ તારું સ્થાન છોડી દઈશ નહિ. કારણ, શાંતિ જાળવવાથી ગંભીર અપરાધોની પણ માફી મળી જાય છે. દુનિયામાં મેં એક અનિષ્ટ જોયું છે અને તે છે અધિકારીથી થતી ભૂલ. મૂર્ખને ઉચ્ચ સ્થાન પર નીમવામાં આવે છે અને ધનિકોને નીચે બેસાડવામાં આવે છે. મેં ગુલામોને ઘોડા પર બેઠેલા અને સરદારોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે. ખાડો ખોદનાર જ તેમાં પડે છે અને દીવાલ તોડનારને જ સાપ કરડે છે. પથ્થર તોડનારને જ પથ્થર વાગે છે અને લાકડાં કાપનારને જ લાકડું વાગવાનું જોખમ હોય છે. જો કુહાડી બુઠ્ઠી હોય અને તેની ધાર કાઢવામાં ન આવે તો વધુ બળ વાપરવું પડશે. બુદ્ધિ દ્વારા સફળતા પ્રાપ્ત થાય છે. જો મંયા પહેલાં સાપ કરડે તો ગારુડીની વિદ્યા નકામી છે. જ્ઞાનીના મુખના શબ્દો માયાળુ હોય છે, પણ મૂર્ખની જીભ તેના વિનાશનું કારણ બને છે. મૂર્ખ મૂર્ખાઈથી બોલવાનો આરંભ કરે છે અને નર્યા પાગલપણામાં તેની વાતનો અંત આવે છે. મૂર્ખ ઘણું બોલે છે, પણ ભવિષ્યમાં શું થવાનું છે તે કોઈ જાણતું નથી. મૃત્યુ પછી શું થશે એ તેને કોણ કહી શકે? મૂર્ખની મહેનત તેને થકવી નાખે છે, અને પછી તો તેને પોતાના મુકામે પહોંચવાનો માર્ગ પણ સૂઝતો નથી. જે દેશનો રાજા નાદાન યુવાન હોય અને તેના રાજપુરુષો સવારથી જ ખાણીપીણીમાં મગ્ન રહેતા હોય તે દેશ કેવી દુર્દશામાં છે! જે દેશનો રાજા કુલીન વંશનો હોય, જેના રાજપુરુષો નશા માટે નહિ, પણ બળપ્રાપ્તિ માટે યોગ્ય સમયે ખાતાપીતા હોય તે દેશને ધન્ય છે! આળસને કારણે છાપરું નમી પડે છે અને હાથની સુસ્તીને કારણે ઘર ચૂએ છે. મિજબાની આનંદપ્રમોદ માટે હોય છે અને દ્રાક્ષાસવથી જીવને આનંદ મળે છે. પણ એ બધું પૈસાથી પ્રાપ્ત થાય છે. તારા મનના વિચારમાં પણ રાજા વિશે ભૂંડું બોલીશ નહિ. તારા શયનખંડમાં પણ ધનિકનું ભૂંડું બોલીશ નહિ, કારણ, પંખી પણ તારા શબ્દો લઈ જશે અને વાયુચર પક્ષી પણ તે વાત કહી દેશે. દરિયાપારના દેશો સાથેના વેપારમાં તારાં નાણાં રોક અને એક દિવસ તને સારો લાભ થશે. સાત નહિ, પણ આઠ સ્થળોએ તારો માલ વહેંચી નાખ. કારણ, આ દુનિયામાં શી આફત આવી પડશે એ તું જાણતો નથી. વાદળાં પાણીથી ભરેલાં હશે તો તે ભૂમિ પર જરૂર વરસશે. વૃક્ષ ચાહે દક્ષિણ તરફ પડે કે ઉત્તર તરફ પડે; તે જ્યાં પડે ત્યાં જ રહેશે. જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે કદી વાવશે નહિ, જે વાદળાં જોયા કરે છે તે કદી લણશે નહિ. ગર્ભવતીના ઉદરમાં જીવ શી રીતે પ્રવેશે છે અને શરીર કેવી રીતે આકાર લે છે તે જેમ તું નથી જાણતો તેવી જ રીતે સર્વના ઉત્પન્‍નર્ક્તા ઈશ્વર કેવી રીતે કામ કરે છે તે પણ તું સમજી શક્તો નથી. સવારમાં બી વાવ અને સાંજે પણ તારો હાથ રોકી રાખીશ નહિ. કારણ, આ સફળ થશે કે તે સફળ થશે અથવા બન્‍ને એક્સરખી રીતે સફળ થશે એ તું જાણતો નથી. સૂર્યપ્રકાશ પ્રિય લાગે છે અને સૂર્યનાં દર્શન આંખને આનંદદાયક લાગે છે. જો કોઈ માણસ ઘણા વર્ષ જીવે તો તેણે તે બધાં વર્ષોમાં આનંદ કરવો, પરંતુ તેણે સ્મરણમાં રાખવું કે અંધકારના દિવસો ઘણા છે. જે કંઈ થાય છે તે મિથ્યા છે. હે જુવાન, તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને આનંદ પમાડો. તારા દયની ઇચ્છા પ્રમાણે તને યોગ્ય લાગે તે પ્રમાણે તું વર્ત. પણ યાદ રાખ કે આ બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે. તારા મનમાંથી ચિંતાને દૂર કર અને તારા શરીરને તંદુરસ્ત રાખ; કારણ, જુવાની ઝાઝી ટકવાની નથી. તેથી તારી જુવાનીના દિવસોમાં, અને જ્યારે તું એમ કહેશે કે, મને કશામાં આનંદ આવતો નથી તેવા માઠા દિવસો આવ્યા અગાઉ તારા સર્જનહાર નું સ્મરણ કર. કારણ, તે પછી તો સૂર્ય અને પ્રકાશ, ચંદ્ર અને તારા અંધકારમાં જતા રહેશે અને વાદળાં વરસી વરસીને પાછાં આવશે. તે દિવસે તારું રક્ષણ કરનાર તારા હાથ ધ્રૂજશે. તારા બળવાન પગ વાંકા થઈ જશે, ચાવવાના દાંતની સંખ્યા ઘટી જતાં ચવાતું બંધ જઈ જશે; તારા કાન રસ્તા પરનો ઘોંઘાટ સાંભળી શકશે નહિ. ઘંટીએ દળવાનો અવાજ કે સંગીતના સૂર વચ્ચેનો તફાવત તું પારખી શકીશ નહિ; છતાં પક્ષીઓના કલરવ માત્રથી તું જાગી જશે. થોડાંક ઊંચાં સ્થળોએ ચઢતાં કે રસ્તે જતાં પણ તું બીશે. બદામડીનાં ખીલી ઊઠતાં શ્વેત ફૂલોની જેમ તારે માથે પળિયાં આવશે. તું તીડની જેમ માંડમાંડ ઢસડાતો ચાલીશ અને કેરડાં ખાવાથી ય કામેચ્છા પ્રદીપ્ત થશે નહિ. માણસ એના સાર્વકાલિક નિવાસસ્થાને પ્રસ્થાન કરશે અને વિલાપ કરનારાઓ રસ્તાઓ પર ફરતા રહેશે. રૂપેરી દોરી તૂટી જશે, સોનેરી દીવો ભાંગી જશે. પાણી ખેંચવાની ગરગડી ભાંગી જશે અને ઘડો ઝરા આગળ જ ફૂટી જશે. ત્યારે આપણું શરીર માટીમાં મળી જશે અને ઈશ્વરે આપેલો આત્મા તેની પાસે પાછો જશે. સભાશિક્ષક કહે છે, મિથ્યા જ મિથ્યા, સઘળું મિથ્યા છે. સભાશિક્ષક જ્ઞાની હતો. તેથી તે લોકોને જ્ઞાન શીખવ્યા કરતો. ઊંડો વિચાર કરી તેણે ઘણાં સુભાષિતો રચ્યાં અને તેમના સત્યની યથાર્થતાની નિષ્ઠાપૂર્વક તપાસ કરી. તેણે મનોહર શબ્દો શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનાં લખાણોમાં નિખાલસ સચ્ચાઈ છે. જ્ઞાનીનાં વચનો પરોણાની આર જેવાં છે. એ વચનોનો સંગ્રહ મજબૂત રીતે જડેલા ખીલા સમાન છે, એ આપણા બધાના પાલક એટલે ઈશ્વર તરફથી મળેલાં છે. મારા દીકરા, એક બીજી ચેતવણી સાંભળ. પુસ્તકો રચવાનો કંઈ પાર નથી. અતિ અભ્યાસથી શરીર થાકી જાય છે. વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે. ઈશ્વર આપણાં ભલાં કે ભૂંડાં કાર્યોનો, ભલે પછી તે ગુપ્તમાં કરાયાં હોય, તો પણ તેમનો ન્યાય કરશે. શલોમોનનું શ્રેષ્ઠ ગીત તારા હોઠોથી મને ચુંબન પર ચુંબન દે; કારણ કે તારી પ્રીત દ્રાક્ષાસવ કરતાં ય ચઢિયાતી છે. ચોળાયેલા અત્તરની મહેક મનમોહક હોય છે; તારામાં એવી મહેક છે અને માત્ર તારા નામનો રણકો એ મહેકની યાદ તાજી કરાવે છે. માટે તો યુવાન સુંદરીઓ તારા પર પ્રેમ કરે છે. મને તારા સાથમાં દોરી જા. એટલે અમે તારે પગલે દોડયાં આવીશું; તું મારો રાજા બન અને મને તારા શયનખંડમાં દોરી જા. અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું; દ્રાક્ષાસવ કરતાં અમે તારા પ્રેમનાં વધારે વખાણ કરીશું. પ્રિયતમા: બધી નવયૌવનાઓ તને પ્રેમ કરે તે ઉચિત છે. હે યરુશાલેમની નવયૌવનાઓ, હું શ્યામ પણ સુંદર છું; રણમાંના કેદારના તંબુઓ જેવી હું કાળી છું, પણ શલોમોનના મહેલના પડદાઓ જેવી રૂપાળી છું. મારા વર્ણને લીધે મારી સામે તુચ્છકારથી જોશો નહિ, કારણ, સૂર્યના તડકાએ મને દઝાડી છે. મારા બાંધવો મારા પર કોપાયમાન હતા. તેથી તેમણે મને દ્રાક્ષવાડીઓની ચોકી કરવાની કામગીરીમાં રોકી દીધી હતી. એને લીધે, મેં મારી દ્રાક્ષવાડીની, મારી જાતની દરકાર કરી નથી. હે મારા પ્રીતમ, તું તારાં ટોળાં કઈ જગ્યાએ ચરાવે છે, તે મને જણાવ; ભરબપોરે તું તેમને કઈ જગ્યાએ વિસામો આપે છે તે કહે. શા માટે મારે બીજા ભરવાડોનાં ટોળામાં તારી શોધ કરવી પડે? હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, શું તું તે જગ્યા જાણતી નથી? તો પછી ટોળાંની પાછળ પાછળ ચાલી જા. ત્યાં ભરવાડોના તંબુઓ પાસે તારાં બકરાં માટે ચારો મળી રહેશે. હે પ્રિયતમા, મેં તને ફેરોના રથે જોડેલા ઘોડાઓ સાથે સરખાવી છે. તારા ગાલ પરની લટો રળિયામણી લાગે છે, અને તેનાથી તારી ડોક રત્નજડિત હારની જેમ આભૂષિત લાગે છે. તો પણ અમે તારે માટે રૂપેરી તારકજડિત સોનાની સાંકળીઓ બનાવીશું. મારો રાજા પોતાના મિલનખંડમાં આરામ કરી રહ્યો છે, ત્યારે મારા જટામાંસીના અત્તરની મહેકથી વાતાવરણ મઘમઘી ઊઠયું છે. મારાં બે સ્તનોની વચ્ચે પોઢેલો મારો પ્રીતમ મારે માટે સુગંધીદાયક બોળ જેવો છે. મને મારો પ્રીતમ એન-ગેદીની દ્રાક્ષવાડીઓમાં ખીલી ઊઠેલાં જંગલી મેંદીનાં ફૂલોના ગુચ્છ જેવો લાગે છે. હે મારી પ્રિયતમા, તું કેટલી બધી રૂપાળી અને મોહક છે! તારી આંખો પ્રેમથી ઝળહળે છે. હે મારા પ્રીતમ, તું કેટલો સુંદર અને મનોહર છે! હરિયાળું ઘાસ આપણી શય્યા બનશે. ગંધતરુઓ આપણા ગૃહના ટેકણ-સ્થંભ થશે, અને દેવદારનાં વૃક્ષો તેની છત બનશે. હું તો શારોનનું ગુલાબ અને પર્વતની ખીણમાંનું પોયણું છું. કાંટાઓમાં ફૂલ હોય, તેમ નવયૌવનાઓ મધ્યે મારી પ્રિયતમા છે. વનનાં વૃક્ષો મધ્યે સફરજનનું વૃક્ષ હોય, તેમ અન્ય નવયુવાનોમાં મારો પ્રીતમ છે. તેની છાયામાં બેસવાથી મને અત્યંત આનંદ થાય છે અને તેનું ફળ મને મીઠું લાગે છે. તે મને તેના ભોજનખંડમાં લઈ આવ્યો અને મારા પર પોતાની પ્રીતિરૂપ વજા લહેરાવી. સૂકી દ્રાક્ષોથી મને હોશમાં રાખો, અને સફરજનથી મને તાજગી પમાડો; કારણ, હું પ્રેમપીડિત છું. તેનો ડાબો હાથ મારા માથા નીચે છે અને તેનો જમણો હાથ મને આલિંગન આપે છે. હે યરુશાલેમની નવયૌવનાઓ, હું તમને ચપળ હરણીઓ અને સાબરીઓના સોગન દઈને વીનવું છું કે તમે કોઈ અમારા પ્રેમમાં વિક્ષેપ પાડશો નહિ. બીજું ગીત મને મારા પ્રીતમનો સાદ સંભળાય છે. તે પહાડો પરથી દોડતો અને ટેકરીઓ કૂદતો મારી સમીપ આવી રહ્યો છે. મારો પ્રીતમ હરણ કે મૃગલા જેવો લાગે છે. તે દીવાલ પાસે ઊભો છે. તે બારીમાંથી ડોકિયાં કરે છે અને પડદામાં થઈને તાકી રહ્યો છે. મારા પ્રીતમે મને બોલાવી. હે મારી પ્રિયતમા, મારી લલના, મારી સાથે આવ. શિયાળો પૂરો થયો છે, વરસાદ થંભી ગયો છે. સીમમાં ફૂલો ખીલી ઊઠયાં છે. ગાનતાનમાં ગુલતાન થવાની આ વેળા છે. ખેતરોમાં હોલાનું ગાયન સંભળાઈ રહ્યું છે. અંજીરો પાકી રહ્યાં છે અને દ્રાક્ષવાડીઓમાંથી નાજુક દ્રાક્ષોની મહેક આવી રહી છે. મારી પ્રિયતમા, મારી લલના, આવ, મારી સાથે આવ. તું તો ખડકની બખોલમાં સંતાઈ જનાર કબૂતરી જેવી છે. મને તારું મોં નીરખવા દે, કેમ કે તે રમણીય છે. મને તારો કંઠ સાંભળવા દે, કેમ કે તે મધુર છે. નાનાં નાનાં શિયાળવાં અમારી ખીલી ઊઠેલી દ્રાક્ષવાડીને ભેલાડે તે પહેલાં તેમને પકડી લો. મારો પ્રીતમ મારો જ છે અને હું તેની જ છું. તે પોતાનાં ટોળાં કમળકુંજમાં ચરાવે છે. હે મારા પ્રીતમ, પરોઢનો હળુહળુ વાયુ વાય અને અંધારું લોપ થાય ત્યાં સુધીમાં મૃગના બચ્ચાની જેમ કે બેથેર પર્વતો પરના હરણની જેમ તું સત્વરે પાછો આવ. મારા પલંગ પર પોઢી જતાં પ્રત્યેક રાત્રિ મને મારા પ્રીતમના સ્વપ્નમાં લઈ જતી. હું તેને ખોળતી હતી, પણ તે મારા હાથમાં આવતો નહિ. તેથી હું નગરમાં, શેરીઓ અને સડકો પર, મારા પ્રીતમને ખોળવા ભમતી ફરી. મેં તેને ખોળ્યો, પણ તે મને મળ્યો નહિ. નગરની રખેવાળી કરતા ચોકીદારોએ મને જોઈ. મેં તેમને પૂછયું, “મારા પ્રીતમને ક્યાંય ભાળ્યો?” પણ તેમને છોડીને હું થોડેક આગળ ગઈ કે તે તરત જ મને મળી ગયો. હું તેને મારી માતાને ઘેર, છેક તેના ઓરડા સુધી લઈ આવી ત્યાં સુધી મેં તેને પકડી રાખ્યો અને છટકવા દીધો નહિ. હે યરુશાલેમની નવયૌવનાઓ, હું તમને ચપળ હરણીઓ અને સાબરીઓના સોગન દઈને વીનવું છું કે તમે કોઈ અમારા પ્રેમમાં વિક્ષેપ પાડશો નહિ. ધુમાડાના સ્થંભ જેવો તથા બોળ, લોબાન અને વેપારીઓનાં બધાં સુગંધીદ્રવ્યોથી ફોરતો આ જે રણમાંથી આવી રહ્યો છે તે કોણ છે? જુઓ, એ તો શલોમોન છે, જે પાલખીમાં બેસીને આવે છે. તેને ફરતે ઇઝરાયલના સાઠ જેટલા સુસજ્જ સૈનિકો તેના અંગરક્ષકો છે. તેઓ બધા તલવારબાજીમાં અને યુદ્ધકળામાં કુશળ છે. રાત્રિહુમલાના ભયની આશંકાથી તેઓ સૌએ પોતાની તલવાર કમરે લટકાવેલી છે. શલોમોન રાજાની પાલખી લબાનોનના ઉત્તમ લાકડામાંથી બનાવેલી છે. તેના થાંભલા રૂપાના, આસન સોનાનું અને તકિયા જાંબલી વર્ણના છે. તેમાં યરુશાલેમની નવયૌવનાઓએ પ્રીતનું રૂપાળું ભરતકામ ભરેલું છે. હે સિયોનની નવયૌવનાઓ, બહાર આવો અને શલોમોન રાજાને નિહાળો! તેના લગ્નના દિવસે, એટલે હર્ષોલ્લાસના પ્રસંગે, તેની માતાએ જે મુગટ તેને માથે મૂક્યો હતો તે તેણે પહેરી રાખેલો છે. હે મારી પ્રિયતમા, તું કેટલી રૂપાળી અને મોહક છે! બુરખામાંથી તારી આંખો પ્રેમથી ઝળહળે છે. ગિલ્યાદ પર્વત પરથી બકરાંનાં ઊતરી રહેલાં ટોળાંની જેમ તારા વાળ ઊડી રહ્યા છે. તારા દાંત, કાતરીને ધોયેલાં ઘેટાંનાં ટોળાં જેવા સફેદ છે. તેમાંનો એકે પડી ગયો નથી; તે બધા પૂરી જોડમાં છે. તારા હોઠ લાલ પટ્ટી જેવા છે. તારા મુખની વાણી કેવી મીઠી છે! બુરખા પાછળ તારા ગાલ દાડમની ફાડ જેવા છે. તારી ગરદન દાવિદના મિનારા જેવી ગોળ અને મુલાયમ છે. તેના પર હજાર ઢાલ લટકાવેલી હોય તેવી માળા છે. તારાં બે સ્તન કમળકુંજમાં ચરતાં સાબરીનાં બચ્ચાંની જોડ જેવાં છે. પરોઢનો વાયુ વાય અને અંધારું લોપ થાય ત્યાં સુધી હું બોળના પર્વત પર તેમ જ લોબાનના પર્વત પર રહીશ. હે મારી પ્રિયતમા, તું કેવી રૂપાળી છે. તું ખોડખામી વિનાની સર્વાંગસુંદર છે. હે મારી નવોઢા, લબાનોન પર્વત પરથી મારી સાથે આવ. જ્યાં સિંહ અને ચિત્તા વસે છે તેવા આમાન, સેનીર અને હેર્મોન પર્વતનાં શિખરો પરથી નીચે ઊતરી આવ. હે મારી પ્રિયા, મારી નવોઢા, તારી આંખોના અણસારે, અને તારા ગળાની એક કંઠી માત્રથી તેં મારું મન મોહિત કર્યું છે. હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તારી પ્રીત કેવી મીઠી છે! તારી પ્રીત દ્રાક્ષાસવ કરતાં અને તારા અત્તરની મહેક સર્વ પ્રકારના સુગંધીદ્રવ્યો કરતાં ઉત્તમ છે. હે મારી નવોઢા, તારા હોઠો પર મધની મીઠાશ છે. તારી જીભ મારે માટે દૂધ અને મધ સમાન છે. તારાં વસ્ત્રોમાં લબાનોનની બધી જ સુવાસ ભરીભરી છે. હે મારી પ્રિયા, મારી નવોઢા, તું તો પ્રતિબંધિત વાડી, અંગત વાટિકા અને ખાનગી ઝરા જેવી છે. ત્યાં સર્વ પ્રકારનાં વૃક્ષો વિક્સે છે; દાડમની વાડીનાં વૃક્ષોની જેમ તે વધે છે અને ઉત્તમ ફળો આપે છે. ત્યાં મહેંદી અને જટામાંસી પણ છે. તેમાં કેસર, સુગંધી બરુ, તજ અને લોબાનનાં સર્વ વૃક્ષો છે. બોળ, અગર અને સર્વ સુગંધીદ્રવ્યોના છોડ વૃદ્ધિ પામે છે. ફૂવારા વાડીને ભીંજવે છે. વહેતા ઝરણાનાં જળ, લબાનોન પર્વત પરથી ધસી આવતાં નાળાં વાડીને સીંચે છે. હે ઉત્તરના પવન, જાગૃત થા. હે દક્ષિણના પવન, આવ. મારી વાડી ઉપર તારી લહેરો લહેરાવ કે જેથી સુગંધીદ્રવ્યની સુગંધથી સમસ્ત વાતાવરણ મહેકી ઊઠે. મારા પ્રીતમને તેની વાડીમાં આવવા દો કે તે પોતાનાં કીમતી ફળ આરોગે. હે મારી પ્રિયા, મારી નવોઢા, હું મારી વાડીમાં આવ્યો છું. હું મારાં બોળ અને ગુગળ ભેગાં કરી રહ્યો છું. હું મારા મધપૂડામાંથી મધ આરોગું છું. હું મારો દ્રાક્ષાસવ અને મારું મધ પી રહ્યો છું. હે પ્રેમીઓ, પ્રેમમાં મસ્ત થઈ જાઓ ત્યાં સુધી ખાઓ અને પીઓ. હું નિદ્રાવશ થઈ હતી, પરંતુ મારું મન જાગૃત હતું. મારો પ્રીતમ મારા ઘરનું બારણું ખટખટાવતો હોય અને મને બોલાવતો હોય એવું શમણું આવ્યું. હે પ્રિયા, મારી પ્રિયતમા, મારી હોલી, મારી નિર્મળા, મને અંદર આવવા દે. મારું માથું ઝાકળથી અને મારા વાળ ધૂમ્મસથી ભીંજાઈ ગયાં છે. મેં મારાં વસ્ત્રો ઉતાર્યાં છે, તો ફરી શા માટે ધારણ કરું? મેં મારા પગ ધોયા છે, તો તેમને શા માટે મેલા કરું? મારા પ્રીતમે બારણું ખોલવા હાથ લાંબો કર્યો, અને તેને નજીક નિહાળી મારામાં ઉત્તેજના પ્રસરી ગઈ. હું મારા પ્રીતમને માટે બારણું ઉઘાડવા ગઈ. મેં બારણાની સાંકળ પકડી ત્યારે મારા હાથમાં જાણે બોળ હતું અને મારી આંગળીઓમાંથી બોળનાં ટીપાં ટપક્તાં હતાં. મેં મારા પ્રીતમને માટે બારણું ખોલ્યું, પણ એ તો ત્યાંથી ચાલ્યો ગયો હતો. તેનો સાદ સાંભળવા હું કેવી આતુર હતી! મેં તેને ખોળ્યો, પણ તે મને મળ્યો નહિ. મેં તેને સાદ પાડયો, પણ મને કશો જવાબ મળ્યો નહિ. નગરની રખેવાળી કરનાર ચોકીદારોએ મને શોધી કાઢી. તેમણે મને મારઝૂડ કરી ઘાયલ કરી દીધી. નગરના સંરક્ષકોએ મારો બુરખો ખેંચી કાઢયો. હે યરુશાલેમની નવયૌવનાઓ, હું તમને શપથ સાથે કહું છું કે તમને મારો પ્રીતમ મળે તો તેને કહેજો કે હું પ્રેમપીડિત છું. હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, બીજા બધા કરતાં તારા પ્રીતમમાં વિશેષ શું છે? તેનામાં એવું અદ્‍ભુત શું છે કે તું અમને એ પ્રમાણે શપથ સાથે કહે છે? મારો પ્રીતમ દેદિપ્યમાન અને રાતોમાતો છે. તે દસ હજારમાં અદકો- અનોખો છે. તેનું માથું ઉત્તમ કોટિના સોના જેવું છે. તેના વાળ વાંકડિયા અને કાગ જેવા કાળા છે. તેની આંખો ઝરણાંને તીરે બેઠેલાં, હા, દૂધથી ધોયેલાં અને ઝરણાની પડખે બેઠેલાં હોલાં જેવી છે. તેના ગાલ સુગંધીદ્રવ્યોના છોડથી ભરેલા બામ જેવા સુંદર છે. તેના હોઠ બોળના અર્કથી ભિંજાયેલા પોયણા જેવા છે. તેના હાથ સુડોળ છે અને તે હાથે રત્નજડિત સોનાની વીંટીઓ પહેરે છે. તેનું શરીર નીલમથી મઢેલા હાથીદાંત જેવું લીસું છે. તેના પગ ચોખ્ખા સોનાની કૂંભીઓમાં બેસાડેલા સંગેમરમરના સ્થંભ જેવા છે. મારા પ્રીતમનો દેખાવ લબાનોન પર્વત પર આવેલાં ઊંચા ગંધતરુ જેવો ભવ્ય છે. તેનું મુખ ચુંબન કરવા જેવું મીઠું છે; તે અતિ મનોહર છે. હે યરુશાલેમની નવયૌવનાઓ, એવું મારા પ્રીતમનું, મારા મિત્રનું સ્વરૂપ છે. હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, તારો પ્રીતમ ક્યાં ગયો છે? તારો પ્રીતમ કયે માર્ગે ગયો તે અમને જણાવ, એટલે અમે તને તેની શોધ કરવામાં સહાય કરીશું. મારો પ્રીતમ સુગંધથી ભરપૂર વૃક્ષોવાળા બાગમાં ગયો છે. તે ત્યાં પોતાનાં ટોળાં ચારે છે અને પોયણાં વીણે છે. હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો છે. તે કમળકુંજમાં પોતાનાં ટોળાં ચરાવે છે. હે મારી પ્રિયતમા, તું તિર્સા શહેર જેવી રૂપવતી અને યરુશાલેમ જેવી ભવ્ય છે; લહેરાતી વજાઓ સહિતનાં એ નગરો જેવી પ્રભાવશાળી છે. તારી આંખો મારા તરફથી ફેરવી લે, કારણ, તેમણે મને પ્રેમવશ કરી દીધો છે. તારા લહેરાતા વાળ દેખાય છે. ગિલ્યાદ પર્વત પરથી ઊતરી રહેલાં બકરાંનાં ટોળાં જેવા દેખાય છે. તારા દાંત ધોયેલાં ઘેટાંનાં ટોળાં જેવા શ્વેત છે. તેમાંનો એકે પડી ગયો નથી. તે બધા અકબંધ છે અને જોડમાં પણ છે. બુરખા પાછળના તારા ગાલ દાડમની ફાડ જેવા લાગે છે. રાજા પાસે ભલે આઠ રાણીઓ, એંસી ઉપપત્નીઓ અને સંખ્યાબંધ નવયૌવનાઓ હોય, પણ મારી પ્રાણપ્રિયા તો એક જ છે. તે હોલી જેવી નિર્મળ છે. તે તેની માતાની એકનીએક અને લાડીલી પુત્રી છે. તેને જોઈને બધી સ્ત્રીઓએ કહ્યું કે તને ધન્ય છે. રાણીઓ અને ઉપપત્નીઓએ પણ તેને જોઈને તેની પ્રશંસા કરી. પ્રભાતના જેવી ઉજ્જવળ કાન્તિવાળી, ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી તેજસ્વી, અને વિજય પતાકાઓવાળા સૈન્ય જેવી પ્રભાવશાળી આ કોણ છે? ખીણના લીલા છોડ જોવા, દ્રાક્ષવેલાને કળીઓ બેઠી છે કે કેમ તે જોવા અને દાડમનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ તે જોવા હું અખરોટના બાગમાં ગયો. મારામાં ઉત્તેજના વ્યાપી ગઈ છે; લડાઈ માટે સારથિ આતુર હોય તેમ તેં મને પ્રેમાતુર કરી મૂક્યો છે. હે શૂલ્લામની કન્યા, નાચ, નાચ. એ માટે કે અમે તારો નાચ નિહાળીએ. પ્રેક્ષકોની બે હારની વચ્ચે હું નાચું, ત્યારે એ નાચ તમારે શા માટે નિહાળવો છે? હે રાજકન્યા, ચંપલમાં તારા પગ કેવા સુંદર લાગે છે! તારી સાથળોનો વળાંક નિપુણ કલાકારની કારીગરી જેવો છે. તારી નાભી ગોળ મોઢાવાળા પ્યાલા જેવી છે, અને તેમાં મસાલેદાર દ્રાક્ષાસવની ખોટ નથી. તારું પેટ પોયણાથી શણગારેલ ઘઉંની ઢગલી જેવું છે. તારાં સ્તન સાબરીનાં બચ્ચાંની જોડ જેવાં છે. તારી ડોક હાથીદાંતના બુરજ જેવી છે. તારી આંખો હેશ્બોન નગરમાં બાથ-રાબ્બીમના દરવાજા પાસે આવેલ કુંડ જેવી છે. તારું નાક દમાસ્ક્સ તરફના લબાનોનના બુરજ જેવું નમણું છે. તારું શીર્ષ ર્કામેલ પર્વતની જેમ ઊંચું છે. તારા વાળ કિરમજની જેમ ચમકે છે; તેની સુંદરતાએ રાજાને વશ કરી દીધો છે. હે પ્રિયતમા, તું કેવી રૂપાળી છે! કેવી વિનોદિની અને હર્ષદાયિની છે! તારું કદ ખજૂરીના વૃક્ષ જેવું છે, અને તારાં સ્તન ખજૂરની લૂમ જેવાં છે. હું ખજૂરી પર આરોહણ કરીશ અને તેની ડાળીઓ પકડીશ. મારા માટે તારાં સ્તન દ્રાક્ષની લૂમ જેવાં છે. તારો શ્વાસ સફરજનની સુગંધ જેવો છે. તારું વદન ઉત્તમ દ્રાક્ષાસવ જેવું છે. તો પછી એ દ્રાક્ષાસવને સીધો મારા પ્રીતમ તરફ, તેના હોઠ અને દાંત તરફ વહેવા દો. હું મારા પ્રીતમની છું, તેની મરજી મારા ભણી વળેલી છે. હે મારા પ્રીતમ, ચાલ, આપણે ખેતરો તરફ ચાલી નીકળીએ અને ગામડાંમાં રાતવાસો કરીએ. આપણે વહેલાં ઊઠીને દ્રાક્ષવાડીમાં જઈશું અને જોઈશું કે દ્રાક્ષવેલાને ફૂલ આવ્યાં છે કે નહિ, કુમળી દ્રાક્ષો બેઠી છે કે નહિ, ને દાડમનાં ફૂલ ખૂલ્યાં છે કે નહિ. ત્યાં હું તને મારા પ્રેમનો અનુભવ કરાવીશ. કામોત્તેજક ભોટીંગડીઓ ફોરી રહી છે અને આપણા બારણા પાસે બધા પ્રકારનાં નવાં અને જૂનાં ફળો છે. હે મારા પ્રીતમ, એ બધાં મેં તારે માટે સંઘરી રાખ્યાં છે. તું મારો માજણ્યો ભાઈ હોત, અને મારી માતાએ તને દૂધપાન કરાવી ઉછેરેલો હોત તો સારું થાત! ત્યારે તો જો તું મને માર્ગમાં મળત તો હું તને ચુંબન કરત અને કોઈ મારો તિરસ્કાર કરત નહિ. હું તને મારી માતાને ઘેર લઈ જાત અને ત્યાં તું મને પ્રેમકળા શિખવાડત. હું તને મસાલેદાર દ્રાક્ષાસવ અને મારા દાડમનો રસ પિવડાવત. તેનો ડાબો હાથ મારા માથા નીચે હોત અને તેના જમણા હાથે મને આલિંગન લીધેલું હોત. હે યરુશાલેમની નવયૌવનાઓ, હું શપથ દઈને વિનંતી કરું છું કે તમે કોઈ અમારા પ્રેમમાં વિક્ષેપ પાડશો નહિ. રણમાંથી પોતાના પ્રીતમ પર ટેકીને આ કોણ આવે છે? પ્રિયતમા: જ્યાં તારી જનેતાએ પ્રસવવેદનામાં તને જન્મ આપ્યો હતો, તે સફરજન વૃક્ષ નીચે મેં તને જમાડયો. બીજાં બધાં કરતાં કેવળ મને જ તારા હૃદય પર મુદ્રા તરીકે અને તારા હાથ પર વીંટી તરીકે બેસાડ. કારણ, પ્રીતિ મૃત્યુના જેટલી જ શક્તિશાળી છે અને તાલાવેલી મોત જેવી દઢ છે. તે જ્યોતરૂપે પ્રગટે છે અને ભડકે બળ્યા કરે છે. ઝાઝાં જળ પ્રેમને બુઝાવી શકે નહિ, રેલ તેને ડુબાડી શકે નહિ, જો કોઈ તેને પોતાના દ્રવ્યથી ખરીદવાનો પ્રયાસ કરે તો તેને માત્ર ફિટકાર જ મળશે. અમારે એક નાની બહેન છે; તેનાં સ્તન હજી ઉપસ્યાં નથી. જ્યારે તેનું માગું આવશે ત્યારે અમે શું કરીશું? જો તે દીવાલ હોય તો તેના પર અમે ચાંદીનો બુરજ બાંધીશું. જો તે દરવાજો હોય તો અમે ગંધતરુનાં સંગીન પાટિયાં મૂકીને તેનું રક્ષણ કરીશું. હું દીવાલ છું અને મારાં સ્તન તેના બુરજો છે. મારો પ્રીતમ જાણે છે કે મને તેનાથી શાંતિ અને સંતોષ મળે છે. બઆલ-હામોનમાં શલોમોનને એક દ્રાક્ષવાડી હતી. તેણે તે દ્રાક્ષવાડી રખેવાળોને ભાડે આપી. દરેક રખેવાળે તે માટે એક હજાર ચાંદીના સિક્કા આપવાના થાય છે. શલોમોનને તેના એક હજાર સિક્કા મળે તે વાજબી છે, અને ખેડૂતોને તેમના ભાગરૂપે બસો સિક્કા મળે તે ય વાજબી છે. પણ મારી પાસે તો મારી પોતાની, મારી માલિકીની દ્રાક્ષવાડી છે. હે વાટિકામાં વસનારી મારી પ્રિયા, મને તારી વાણી સાંભળવા દે. મારા ભેરુ પણ તને સાંભળવા આતુર છે. હે મારા પ્રીતમ, આવ! સુગંધીદ્રવ્યોના પર્વત પર હરણ કે સાબરીના બચ્ચા જેવો થા! આમોઝના પુત્ર યશાયાને યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ અને હિઝકિયાના રાજ્યકાળ દરમ્યાન ઈશ્વરે યરુશાલેમ તથા યહૂદિયા સંબંધી પ્રગટ કરેલા સંદેશાઓનું વર્ણન આ પુસ્તકમાં છે. પ્રભુએ કહ્યું, “હે આકાશો, સાંભળો! હે પૃથ્વી લક્ષ દે! તમે મારી વાત સાંભળો! મેં છોકરાંને પાળીપોષીને ઉછેર્યાં છે પણ તેમણે તો મારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે. બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગધેડો પોતાના માલિકનો વાડો જાણે છે, પણ મારા ઇઝરાયલી લોકને એટલુંય ભાન નથી. તેઓ કંઈ જ સમજતા નથી. “હે પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાયેલા લોક, દુરાચારીઓની ઓલાદ, વંઠી ગયેલાં છોકરાં! તમે પ્રભુનો ત્યાગ કર્યો છે; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વરનો તિરસ્કાર કર્યો છે, અને તમે તેમનાથી વિમુખ થઈ ગયા છો. તમે શા માટે વિદ્રોહ કર્યા કરો છો? શું હજી તમારે વધારે સજા ભોગવવી છે? આખું માથું તો સડી ગયું છે! વળી, હૃદય પણ નિર્ગત છે. પગના તળિયાથી માથા સુધી એકેય અંગ તંદુરસ્ત નથી. આખા શરીરે ઘા, સોળ અને પાકેલા જખમ છે. ઘા દાબીને સાફ કરવામાં આવ્યા નથી કે તેમને પાટા બાંધવામાં આવ્યા નથી કે તેમને તેલ લગાડીને નરમ કરવામાં આવ્યા નથી. “તમારો દેશ ઉજ્જડ થયો છે, અને તમારાં નગરોને અગ્નિથી બાળી નાખવામાં આવ્યાં છે. પરદેશીઓ તમારી નજરોનજર ખેતરો સફાચટ કરી નાખે છે અને તેમને ખેદાનમેદાન કરી નાખે છે. ફક્ત સિયોનનગરી એટલે યરુશાલેમ જ બાકી છે અને તેને પણ ઘેરો ઘાલવામાં આવ્યો છે. તેની હાલત દ્રાક્ષવાડીમાંની ચોકીદારની ઝૂંપડી જેવી અને ક્કડીની વાડીમાંની છાપરી જેવી છે.” સર્વસમર્થ પ્રભુએ આપણામાંથી કેટલાંકને બાકી રાખ્યા ન હોત તો સદોમ અને ગમોરાની માફક આપણું નામનિશાન રહેત નહિ. હે યરુશાલેમ, તારા રાજર્ક્તાઓ અને તારા લોકો સદોમ અને ગમોરા જેવા છે. તમે પ્રભુની વાત સાંભળો. ઈશ્વરના નિયમ પ્રત્યે લક્ષ આપો. પ્રભુ કહે છે, “તમારા આ અસંખ્ય યજ્ઞોની મારે કંઈ જરૂર નથી. તમારાં ઘેટાંના દહનબલિ અને માતેલાં ઢોરની ચરબીથી હું ધરાઈ ગયો છું અને આખલા, હલવાન તથા બકરાના રક્તથી હું કંટાળી ગયો છું. “મારા સાંનિધ્યમાં આવતી વેળાએ તમને આ બધું લાવવાનું કોણે કહ્યું? મારા મંદિરના આંગણાને આમ તમારા પગ નીચે ખૂંદવાનું કોણે કહ્યું? તમારાં નકામાં અર્પણો લાવશો નહિ. તમારા ધૂપની વાસ હું ધિક્કારું છું. તમારાં ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વ, સાબ્બાથ અને ધાર્મિક સંમેલનો હું સહન કરી શક્તો નથી. કારણ, તમારાં પાપને લીધે તે બધાં ભ્રષ્ટ થઈ ગયાં છે. તમારાં ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વો અને પવિત્ર દિવસોને હું ધિક્કારું છું. મને એ બોજારૂપ થઈ પડયાં છે, અને તેમને સહીસહીને હું થાકી ગયો છું. “જ્યારે તમે પ્રાર્થનામાં તમારા હાથ પ્રસારો ત્યારે હું તમારા તરફથી મારી દષ્ટિ ફેરવી લઈશ. તમે ગમે તેટલી પ્રાર્થના કરશો છતાં હું તમારું સાંભળીશ નહિ; કારણ, તમારા હાથ ખૂનથી ખરડાયેલા છે. સ્નાન કરો અને શુદ્ધ થાઓ; તમારાં ભૂંડાં કર્મો મારી નજર આગળથી દૂર કરો. દુરાચાર બંધ કરો, અને ભલું કરતાં શીખો. ન્યાયની પાછળ લાગો, પીડિતોને રક્ષણ આપો, અનાથોને તેમના હક્ક આપો અને વિધવાઓના પક્ષની હિમાયત કરો.” પ્રભુ કહે છે, “ચાલો, આપણે વિવાદનો નિકાલ કરી નાખીએ. પાપને લીધે તમારા પર લાલ ડાધ પડયા છે, પણ હું તમને ધોઈને બરફના જેવા શ્વેત કરીશ. જો કે તમારા પાપના ડાઘ રાતા હોય તો પણ તમે ઊનના જેવા સફેદ થશો. જો તમે મને આધીન થશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો. પણ જો તમે મારું કહ્યું નહિ માનો અને વિદ્રોહ કરશો તો તમે તલવારનો ભોગ થઈ પડશો. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.” એક સમયની પતિવ્રતા નારી જેવી નગરી આજે વેશ્યા જેવી બની ગઈ છે! એક વખતે તેમાં સદાચારીઓ રહેતા હતા, પણ હવે ખૂનીઓ જ બાકી રહ્યા છે. હે યરુશાલેમ નગરી, એકવાર તું ચાંદી જેવી હતી, પણ અત્યારે તો તું કથીર બની ગઈ છે. તું ઉત્તમ દ્રાક્ષાસવ જેવી હતી, પણ અત્યારે તો પાણીમિશ્રિત દ્રાક્ષાસવ જેવી બની ગઈ છે. તારા આગેવાનો બળવાખોર અને ચોરના મિત્રો છે. તેઓ સૌને લાંચ વહાલી લાગે છે અને તેઓ સૌ બક્ષિસ માટે ફાંફાં મારે છે. તેઓ અદાલતમાં અનાથનો બચાવ કરતા નથી અને વિધવાની ફરિયાદ સાંભળતા નથી. એ માટે પ્રભુ, સર્વસમર્થ પ્રભુ, ઇઝરાયલના પરમપવિત્ર કહે છે, “હું મારા દુશ્મનો પર બદલો વાળીશ અને તેઓ મને ફરી કદી હેરાન કરશે નહિ. હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ. હું તને અગ્નિની ભઠ્ઠીમાં તાવીને તારી બધી જ અશુદ્ધતા દૂર કરીશ. વર્ષો પૂર્વે તારી પાસે હતા તેવા રાજર્ક્તાઓ અને સલાહકારો હું તને આપીશ. ત્યાર પછી યરુશાલેમ ન્યાયી અને પતિવ્રતા નારી જેવી નગરી તરીકે ઓળખાશે. પ્રભુ ન્યાયી હોવાથી સિયોન એટલે યરુશાલેમને અને પાપથી પાછા ફરનારા તેના લોકોને બચાવશે. પણ પ્રભુ વિરુદ્ધ પાપ કરનારાઓ અને બળવો પોકારનારાઓનો તો તે વિનાશ કરશે, અને તેમનો નકાર કરનાર પ્રત્યેક માર્યો જશે. તમે જેમાં આનંદ માણતા હતા તે પવિત્ર ઓકવૃક્ષને લીધે તમે લજ્જિત થશો. તમારા પસંદ કરેલા ઉપાસનાનાં ઉપવનોને લીધે તમે અપમાનિત થશો. કારણ, તમે તો જેનાં પાંદડાં કરમાઈ જાય છે તેવા મસ્તગીવૃક્ષ જેવા અને નિર્જળ વાડી જેવા થશો. બળવાન માણસ કચરા જેવો અને તેનું કામ તણખલાં જેવું થશે. એ બન્‍ને સાથે જ બાળી નંખાશે અને આગ હોલવનાર કોઈ હશે નહિ. ઈશ્વરે આમોઝના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી પ્રગટ કરેલો સંદેશો: આખરી દિવસોમાં પ્રભુના મંદિરનો પર્વત બધા પર્વતોમાં મુખ્ય બની રહેશે, અને તેને બધા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે. બધી પ્રજાઓ ત્યાં પ્રવાહની જેમ ચાલી આવશે. એ પ્રજાઓના લોકો કહેશે, “ચાલો, આપણે પ્રભુના પર્વત પર, યાકોબના ઈશ્વરના મંદિરમાં ચડી જઈએ; તે આપણને તેમના માર્ગ શીખવશે, અને આપણે તેમના માર્ગમાં ચાલીશું, કારણ, પ્રભુના નિયમનું શિક્ષણ સિયોનમાંથી ફેલાશે, અને યરુશાલેમમાંથી પ્રભુ લોકોને સંદેશ પાઠવશે.” તે મહાન રાષ્ટ્રોનો ન્યાય કરશે. તે તેમના ઝઘડા પતાવશે. તેઓ પોતાની તલવારો ટીપીને તેમાંથી હળપૂણીઓ અને પોતાના ભાલામાંથી દાતરડાં બનાવશે. પ્રજાઓ ફરીથી યુદ્ધે ચડશે નહિ, અને ફરીથી લડાઈની તાલીમ લેશે નહિ. હે યાકોબના વંશજો, ચાલો, આપણે પ્રભુના પ્રકાશમાં ચાલીએ. હે ઈશ્વર, તમે તમારા લોકને, યાકોબના વંશજોને તજી દીધા છે. પલિસ્તીઓ તથા પૂર્વમાંથી આવેલા લોકોમાંથી ધંતરમંતર કરનારા તેમની વચમાં મોટી સંખ્યામાં વસે છે. તેમણે પરદેશીઓ સાથે હાથ મિલાવ્યો છે. તેમનો દેશ સોનાચાંદીથી ભરપૂર છે અને તેમના ખજાનાનો કોઈ પાર નથી. તેમનો દેશ ઘોડાઓથી ભરપૂર છે અને તેમના રથોનો કોઈ પાર નથી. તેમનો દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને તેઓ પોતાને હાથે જ બનાવેલી મૂર્તિઓનું ભજન કરે છે. સૌને નમાવવામાં આવશે અને સૌની નામોશી થશે. હે પ્રભુ, તમે તેમને માફ કરશો નહિ. પ્રભુના રોષથી તથા તેમનાં સામર્થ્ય અને ગૌરવથી પોતાને સંતાડવા પર્વતની ગુફાઓમાં કે જમીનના ખાડાઓમાં સંતાઈ જાઓ. તે દિવસે માનવીની મગરૂરી ઉતારી પાડવામાં આવશે અને ગર્વિષ્ઠોનો ગર્વ નમાવાશે અને માત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે. તે દિવસે સમર્થ પ્રભુ દરેક ગર્વિષ્ઠ, અભિમાની અને શક્તિશાળી માણસને નમાવશે. તે દિવસે તે લબાનોનનાં ઊંચા ગંધતરુઓ અને બાશાનનાં ઓકવૃક્ષોનો નાશ કરશે. ઊંચા પર્વતો અને ડુંગરાઓ, કિલ્લાના ઊંચા મિનારા અને દીવાલોને તે તોડી પાડશે. મહાન અને સુંદર વહાણોને તે ડૂબાડી દેશે. માનવી અભિમાન ઉતારાશે; માનવી અહંકારનો નાશ થશે. તે દિવસે મૂર્તિઓનો સંપૂર્ણ વિનાશ થશે અને એકમાત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે. *** પ્રભુ પૃથ્વીને કંપાવવા આવશે ત્યારે તેમના રોષથી અને તેમનાં સામર્થ્ય અને ગૌરવથી પોતાને સંતાડવા લોકો પર્વતની ગુફાઓમાં કે જમીનના ખાડાઓમાં સંતાઈ જશે. તે સમયે માણસો હાથે ઘડેલી પોતાની સોનાચાંદીની મૂર્તિઓ ફેંકી દેશે અને તેમને ખંડિયેરોમાં છછુંદર અને ચામાચિડિયાની પાસે તજી દેશે. પ્રભુ પૃથ્વી કંપાવવા આવશે ત્યારે તેમના રોષથી તથા તેમના સામર્થ્ય અને ગૌરવથી પોતાને સંતાડવા તેઓ પર્વતની ગુફાઓમાં કે જમીનના ખાડાઓમાં સંતાઈ જશે. હવે મર્ત્ય માનવીનો ભરોસો ન કરશો. એની શી વિસાત છે? હવે જુઓ, પ્રભુ, સર્વસમર્થ પ્રભુ યરુશાલેમ અને યહૂદિયા પાસેથી બધો પુરવઠો અને બધો ટેકો લઈ લેશે. તે તેમનાં ખોરાકપાણી, શૂરવીરો, સૈનિકો, રાજ્યર્ક્તાઓ, સંદેશવાહકો, જોષીઓ, વડીલો, લશ્કરી અફસરો અને વહીવટી અધિકારીઓ, રાજનીતિજ્ઞો અને ચતુર જાદુગરોને લઈ લેશે. પ્રભુ છોકરાંને તેમના આગેવાનો બનાવશે અને નાદાનો તેમના પર રાજ કરશે. લોકો એકબીજા પર અને દરેક જણ પોતાના પડોશી પર જુલમ ગુજારશે. યુવાનો વડીલોનો આદર નહિ રાખે અને હલકા માણસો પ્રતિષ્ઠિત માણસોનું સન્માન રાખશે નહિ. એ સમયે માણસ પોતાના જ કોઈ ગોત્રબધુંને પકડીને કહેશે, “તારી પાસે વસ્ત્ર છે તેથી તું અમારો આગેવાન થા અને પાયમાલ થઈ ગયેલા કુટુંબનો કારભાર ચલાવ.” પણ તે જવાબ આપશે, “ના, ના, હું નિરુપાય છું. મારી પાસે નથી ખોરાક કે નથી વસ્ત્રો. મને તમારો આગેવાન બનાવશો નહિ!” કારણ, યરુશાલેમ પાયમાલ થવા બેઠું છે! યહૂદિયાની પડતી થઈ છે! તેમનાં વાણી અને કાર્યો પ્રભુની વિરુદ્ધ થયાં છે. તેઓ ખુલ્લેઆમ ઈશ્વરની સામા પડે છે. તેમના ચહેરા પરનો ઘમંડ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે. તેઓ પોતાનું પાપ સંતાડતા નથી, પણ સદોમની માફક તેનું પ્રદર્શન કરે છે. તેમની કેવી દુર્દશા થશે! તેમણે જાતે જ આપત્તિ વહોરી લીધી છે. ન્યાયપૂર્વક વર્તનારાઓને ધન્ય છે, તેમનું કલ્યાણ થશે. તેઓ પોતાનાં કર્મોનું પ્રતિફળ માણશે. પણ દુષ્ટોની તો દુર્દશા થશે. તેમના પર આફત આવી પડી છે. તેઓ પોતાનાં દુષ્ટ કર્મોનું ફળ ભોગવશે. વ્યાજખોરો મારા લોક પર જુલમ ગુજારે છે અને ધીરધાર કરનારા તેમને છેતરે છે. હે મારા લોકો, તમારા આગેવાનોએ તમને ગેરમાર્ગે દોર્યા છે, તેથી તમારે કયે માર્ગે જવું તે તમે જાણતા નથી. પ્રભુએ અદાલતમાં કેસ હાથ ધર્યો છે. તે પોતાના લોકોનો ન્યાય કરવા તૈયાર થયા છે. પ્રભુ પોતાના લોકોના વડીલો અને અધિકારીઓ વિરુદ્ધ ચુકાદો આપે છે: “તમે મારી દ્રાક્ષવાડી ભેલાડી મૂકી છે અને ગરીબોને લૂંટીને તમે તમારાં ઘર ભર્યાં છે. મારા લોકને કચડવાનો અને ગરીબોનું શોષણ કરવાનો તમને શો અધિકાર છે?” પ્રભુ, સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે. પ્રભુ કહે છે, “સિયોન એટલે યરુશાલેમની સ્ત્રીઓ કેવી ઘમંડી છે! તેઓ ઊંચી ડોક રાખીને, લોભામણી આંખોથી મિચકારા મારતી ઝાંઝરના ઝમકાર સાથે લટકમટક ચાલે છે. પણ હું તેમને શિક્ષા કરીશ. હું તેમના માથામાં ઘારાં પાડીશ અને તેમને બોડી બનાવી દઈશ.” તે દિવસે પ્રભુ સિયોનની સ્ત્રીઓ પાસેથી તેમણે સજેલો સઘળો શણગાર આંચકી લેશે; એટલે, કલ્લાં, શિરબંધો, ગળાના હારો; લટકણિયાં, કંકણો, ધૂમટા, મુગટો, ઝાંઝરો, કંઠીઓ, અત્તરની શીશીઓ, માદળિયાં, વીંટીઓ, નાકની વાળીઓ, કીમતી વસ્ત્રો, ઝભ્ભા, શાલો, બટવા. દર્પણો, મુલાયમ બારીક વસ્ત્રો, માથે બાંધવાના પટકા અને બુરખા લઈ લેશે. ત્યારે સુગંધને બદલે દુર્ગંધ હશે; મુલાયમ કમરપટ્ટાને બદલે દોરડું હશે; ગૂંથેલા કેશને બદલે ટાલ હશે; કીમતી વસ્ત્રોને બદલે ચીંથરાં હશે અને સૌંદર્યને બદલે કલંક હશે! તમારા પુરુષો તલવારની ધારે માર્યા જશે, અને તમારા યોદ્ધાઓ યુદ્ધમાં ખપી જશે. શહેરના દરવાજા શોકવિલાપ કરશે, બલ્કે તે ઉજ્જડ બની જમીનદોસ્ત થઈ જશે. તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે, “અમે અમારો પોતાનો ખોરાક ખાઈશું અને અમારાં પોતાનાં વસ્ત્રો પહેરીશું પણ તું અમારો પતિ થા અને અમારું કુંવારા રહી જવાનું મહેણું દૂર કર.” તે દિવસે પ્રભુનો અંકુર સુંદર અને ગૌરવી બનશે. ઇઝરાયલના બચી ગયેલા લોકો માટે ભૂમિની પેદાશ અભિમાન અને ગૌરવનું કારણ બની રહેશે. સિયોનમાં બચી ગયેલા અને યરુશાલેમના જીવતા રહેવા નિર્માયેલા સૌ કોઈ પવિત્ર કહેવાશે. ત્યારે પ્રભુ સિયોનવાસીઓની મલિનતા ધોઈ નાખશે અને ઝંઝાવાતી ન્યાયશાસન તથા ભડભડતા અગ્નિ દ્વારા તે યરુશાલેમને તેમાં વહેવડાવેલા રક્તથી શુદ્ધ કરશે. સિયોન પર્વત પર અને ત્યાં એકત્ર થયેલા બધા પર પ્રભુ દિવસે વાદળ અને ધૂમાડો તથા રાત્રે અગ્નિનો પ્રકાશ પાથરશે. ઈશ્વરનું ગૌરવ સમગ્ર શહેર ઉપર આચ્છાદન કરશે. તેમનું ગૌરવ શહેરને દિવસના તાપથી છાયા આપશે અને તેને સુરક્ષિત બનાવશે; વરસાદ અને તોફાનથી તે તેનું રક્ષણ કરશે. તો હવે તમે મારું ગીત સાંભળો. આ ગીત તો મારા પ્રિયતમ અને તેની દ્રાક્ષવાડી વિષેનું છે: ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની એક દ્રાક્ષવાડી હતી. તેણે તેને ખોદીને તેમાંથી પથ્થરો વીણી કાઢયા અને તેમાં ઉત્તમોત્તમ દ્રાક્ષવેલા રોપ્યા. તેમાં તેણે ચોકીનો બુરજ બાંધ્યો અને દ્રાક્ષ પીલવાને માટે કુંડ ખોદયો. પછી તે મીઠી દ્રાક્ષની રાહ જોવા લાગ્યો, પણ ખાટી દ્રાક્ષ ઊપજી! તેથી મારો પ્રિયતમ કહે છે: “હે યરુશાલેમના રહેવાસીઓ અને યહૂદિયાના લોકો, તમે મારી અને મારી દ્રાક્ષવાડી વચ્ચે ન્યાય કરો: મેં મારી દ્રાક્ષવાડીમાં કરવા જેવું કોઈ કામ બાકી રાખ્યું હતું? તો પછી મારી આશા પ્રમાણે મીઠી દ્રાક્ષને બદલે ખાટી દ્રાક્ષ કેમ ઊપજી? “તો હવે હું મારી દ્રાક્ષવાડીનું શું કરીશ તે સાંભળો: હું તેની વાડ કાઢી નાખીશ. અને તેની રક્ષણની દીવાલ તોડી પાડીશ એટલે જંગલી પ્રાણીઓ તેને ભેલાડી દેશે અને તેને ખૂંદી નાખશે. હું તેને ઉજ્જડ કરી નાખીશ. હું તેની કાપકૂપ કરીશ નહિ કે તેની જમીન ખેડીશ નહિ. તેમાં કાંટાઝાંખરા ઊગી નીકળશે અને વાદળો તેના પર વરસે નહિ એવી હું તેમને આજ્ઞા કરીશ. ઇઝરાયલ તો સર્વસમર્થ પ્રભુની દ્રાક્ષવાડી છે; યહૂદિયાના લોક તેમના મનોરંજક દ્રાક્ષવેલાના રોપાઓ છે. તેમણે તેમની પાસેથી ન્યાયની અપેક્ષા રાખેલી, પણ તેમને તેમનામાં રક્તપાત જોવા મળ્યો. તે નેકીની અપેક્ષા રાખતા હતા, પણ એને બદલે તેમને પીડિતોનો પોકાર સાંભળવા મળ્યો. તમારી કેવી દુર્દશા થશે! તમે ઘર પર ઘર વધાર્યા કરો છે અને ખેતર પર ખેતર વિસ્તારો છો, એટલે સુધી કે દેશમાં માત્ર તમે એકલા જ રહો છો અને બીજા કોઈ માટે જગ્યા મળતી નથી. સર્વસમર્થ પ્રભુએ મને જણાવ્યું છે: “આ બધાં મોટાં ઘર ઉજ્જડ બની જશે અને સુંદર હવેલીઓ નિર્જન બની જશે. દસ એકરની દ્રાક્ષવાડીમાંથી માત્ર બાવીસેક લિટર જ દ્રાક્ષાસવ મળશે. દસ માપ બિયારણમાંથી માત્ર એક માપ અનાજ પાકશે. તમારી કેવી દુર્દશા થશે! તમે સવારે વહેલા ઊઠીને દારૂ ઢીંચવા માંડો છો અને દ્રાક્ષાસવ પીને મોડી રાત સુધી મસ્ત રહો છો. તમારી મિજબાનીઓમાં સિતાર, વીણા, ખંજરી, વાંસળી અને દ્રાક્ષાસવ હોય છે. પણ તમને પ્રભુનાં કાર્યો માટે માન નથી અને તેમનાં હાથનાં કામો માટે આદર નથી. તેથી સમજણને અભાવે તમને બંદિવાનો તરીકે લઈ જવામાં આવશે. તમારા આગેવાનો ભૂખે મરશે અને આમજનતા તરસે મરશે. મૃત્યુલોક શેઓલની તેમને માટેની ભૂખ વધી ગઈ છે, અને તેણે પોતાનું મોં પૂરેપૂરું ખોલ્યું છે. તે યરુશાલેમના પ્રતિષ્ઠિત માણસોને અને મિજબાનીની ધમાચકડીમાં ગુલતાન થયેલા સમુદાયને ઓહિયાં કરી જાય છે. દરેક માણસ નીચો નમાવાશે, બલ્કે, સમસ્ત માનવજાતને નમાવવામાં આવશે, સર્વ ઉદ્ધત આંખો નીચી નમાવાશે. પણ સર્વસમર્થ પ્રભુ તેમનાં ન્યાયકૃત્યો દ્વારા પોતાની મહત્તા પ્રગટ કરશે અને પવિત્ર ઈશ્વર યથાર્થ ન્યાય કરીને પોતાની પવિત્રતાનું પ્રમાણ આપશે. શહેરના શ્રીમંતોનાં ખંડિયેરોમાં ઘેટાંબકરાં ચરિયાણમાં ચરતાં હોય તેમ ચરશે. તમારી કેવી દુર્દશા થશે! તમે તમારા પાપથી મુક્ત થઈ શક્તા નથી. તમે કહો છો, “પ્રભુએ જે કરવા ધાર્યું હોય તે જલદી કરે, જેથી અમે તે જોઈએ; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર તેમની યોજના પાર પાડે, જેથી અમે તેમનું મન જાણીએ.” તમારી કેવી દુર્દશા થશે! તમે ભૂંડાને સારું અને સારાને ભૂંડું કહો છો. તમે અંધકારને પ્રકાશમાં અને પ્રકાશને અંધકારમાં પલટી નાખો છો. તમે કડવાને મીઠું અને મીઠાને કડવું બનાવો છો. તમારી કેવી દુર્દશા થશે! તમે પોતાને જ્ઞાની અને બુદ્ધિશાળી સમજો છો. તમારી કેવી દુર્દશા થશે! તમે દ્રાક્ષાસવ પીવામાં શૂરા અને દારૂ ગાળવામાં બહાદુર છો. તમે લાંચ લઈને ગુનેગારને નિર્દોષ ઠરાવો છો અને નિર્દોષને ન્યાયથી વંચિત રાખો છો. તેથી જેમ અગ્નિ તણખલાને ભરખી જાય છે અને સૂકું ઘાસ જવાળામાં હોમાઈ જાય છે તેમ તમારાં મૂળ કોહવાઈ જશે અને તમારાં ફૂલ ધૂળની જેમ ઊડી જશે. કારણ, ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુના નિયમની તમે અવગણના કરી છે અને તેમના સંદેશનો તિરસ્કાર કર્યો છે. પ્રભુ પોતાના લોક પર રોષે ભરાયા છે અને તેમણે તેમને સજા કરવાને પોતાનો હાથ ઉગામ્યો છે. પર્વતો ધ્રૂજી ઊઠશે અને મરેલાંઓનાં શબ કચરાની માફક રસ્તે રઝળશે. છતાં પ્રભુનો રોષ શમી જશે નહિ, પણ સજા કરવાને તેમનો હાથ હજી ઉગામેલો રહેશે. પ્રભુ દૂરની પ્રજાને વજા ફરકાવીને બોલાવે છે, તે તેમને સીટી વગાડીને બોલાવે છે. જુઓ, તે સત્વરે અને ઝટપટ આવે છે! તેમનામાંનો કોઈ થાક્તો નથી કે કોઈ ઠોકર ખાતો નથી કે કોઈ ઝોકાં ખાતો નથી કે ઊંઘતો નથી. તેમનામાંના કોઈનો કમરપટ્ટો છૂટી ગયો નથી કે કોઈનું પગરખું તૂટી ગયું નથી. તેમનાં બાણ તીક્ષ્ણ છે અને તેમનાં ધનુષ્ય તાણેલાં છે. તેમના ધોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી છે અને તેમના રથનાં પૈડાં વંટોળિયાની જેમ ફરે છે. તેમના સૈનિકોની ગર્જના સિંહની ત્રાડ જેવી છે. તેઓ સિંહનાં બચ્ચાની માફક ગર્જના કરશે અને ધૂરકશે. તેઓ શિકાર પકડીને ખેંચી જશે અને તેને છોડાવનાર કોઈ મળશે નહિ. એ દિવસે તેઓ ઇઝરાયલ પર ધૂઘવતા સમુદ્રની જેમ ગર્જશે. જો કોઈ દેશ પર દષ્ટિપાત કરે તો તેને અંધકાર અને આફત જ દેખાશે. પ્રકાશ પણ વાદળોથી ઘેરાઈ જશે. ઉઝિયા રાજાનું મરણ થયું તે વર્ષે મને પ્રભુનું દર્શન થયું. તે ઉચ્ચ અને ઉન્‍નત રાજ્યાસન પર બિરાજેલા હતા અને તેમના ઝભ્ભાની ઝાલરથી આખું મંદિર ભરાઈ ગયું હતું. તેમની આસપાસ સરાફો ઊભા હતા. તેઓમાંના દરેકને છ પાંખો હતી; બે પાંખોથી તેઓ પોતાનું મુખ ઢાંક્તાં, બેથી પોતાના પગ ઢાંક્તા અને બેથી તે ઊડતા. તેઓ એકબીજાને પોકારીને કહી રહ્યા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સેનાધિપતિ પ્રભુ! તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે.” તેમના પોકારોથી મંદિરના પાયા હચમચી ગયા અને મંદિર ધૂમાડાથી ભરાઈ ગયું. મેં કહ્યું, “અરેરે! મારું આવી બન્યું છે! કારણ, મારા હોઠોમાંથી નીકળતી વાતો અશુદ્ધ છે અને જેમના હોઠોમાંથી અશુદ્ધ વાતો નીકળે છે એવા લોકો વચ્ચે હું વસુ છું. છતાં મેં રાજાને એટલે સર્વસમર્થ પ્રભુને નજરોનજર જોયા છે.” ત્યારે એક સરાફ વેદી પરથી ચિપિયા વડે સળગતો અંગારો લઈને મારી પાસે આવ્યો. તેણે મારા હોઠને સળગતો અંગારો અડકાડીને કહ્યું, “જો, આ અંગારો તારા હોઠને અડકયો છે, એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.” ત્યારપછી મેં પ્રભુને આ પ્રમાણે કહેતા સાંભળ્યા, “હું કોને મોકલું? અમારા સંદેશવાહક તરીકે કોણ જશે?” મેં જવાબ આપ્યો, “હું જઈશ, મને મોકલો.” તેથી તેમણે મને કહ્યું, “જા, અને મારા લોકને આ સંદેશો આપ: તમે ગમે તેટલું સાંભળશો, પણ સમજશો નહિ. ગમે તેટલું જોશો, પણ શું થઈ રહ્યું છે તેની સૂઝ પડશે નહિ.” ત્યાર પછી તેમણે મને કહ્યું, “આ લોકોનાં મન જડ કર, કાન બહેરા કર અને તેમની આંખોને આંધળી બનાવ, જેથી તેઓ આંખે જુએ નહિ, કાને સાંભળે નહિ કે મનથી સમજે નહિ. કદાચ તેઓ તે પ્રમાણે કરે તો તેઓ મારી તરફ પાછા ફરે અને સાજા થાય.” મેં પૂછયું, “પ્રભુ, આવું ક્યાં સુધી ચાલશે?” તેમણે જવાબ આપ્યો, “નગરો ખંડિયેર બનીને નિર્જન થાય, ઘરો વસ્તી વગરનાં બની જાય અને જમીન વેરાન અને પડતર બની જાય ત્યાં સુધી એમ થશે. હું લોકોને દૂર દેશમાં મોકલી દઈશ અને આખો દેશ ઉજ્જડ થઈ જશે. છતાં દેશમાં દસમાંથી એક માણસ રહી જાય તો તેનો પણ નાશ થશે. પણ જેમ મસ્તગીવૃક્ષ અને ઓકવૃક્ષને કાપી નાખ્યા પછી તેના થડનું ઠૂંઠું રહી જાય છે તેમ ઈશ્વરના સમર્પિત શેષ લોક ભૂમિમાંના એવા ઠૂંઠા સમાન છે.” ઉઝિયાના પુત્ર યોથામનો પુત્ર આહાઝ યહૂદિયા પર રાજ કરતો હતો ત્યારે અરામના રાજા રસીને અને ઇઝરાયલના રાજા રમાલ્યાના પુત્ર પેકાએ યરુશાલેમ પર આક્રમણ કર્યું, પણ તેઓ તેને જીતી શક્યા નહિ. યહૂદિયાના દાવિદવંશી રાજાને સંદેશો મળ્યો કે અરામનું સૈન્ય એફ્રાઈમના સૈન્ય સાથે મળીને તેમના પર ચડી આવ્યું છે, ત્યારે તે તથા તેના લોકો પવનથી કંપતા વૃક્ષની જેમ ભયથી થરથરવા લાગ્યા. પ્રભુએ યશાયાને કહ્યું, “તું તારી સાથે તારા પુત્ર શઆર-યાશૂબ [અર્થાત્ બચેલો શેષ પાછો ફરશે]ને લઈને આહાઝ રાજાને મળવા જા. તે તને ધોબીઘાટને માર્ગે ઉપરના કુંડના નાળાને છેડે મળશે. તારે તેને આમ કહેવું, ‘સાવધ રહે, શાંત થા અને બીશ નહિ. અરામનો રાજા રસીન અને રમાલ્યાનો પુત્ર પેકા તો બે ધૂમાતા ઠૂંઠા જેવા છે. તેમના ધૂંધવાતા ક્રોધથી મનમાં હતાશ થઈ જઈશ નહિ. અરામ તથા ઇઝરાયલ અને તેનો રાજા સાથે મળીને કાવતરું ઘડીને આમ કહે છે, ‘ચાલો, આપણે યહૂદિયા પર ચડાઈ કરીએ, લોકો આપણી સાથે જોડાય માટે તેમને ત્રાસ આપીએ અને રાજગાદી ઉપર ટાબએલના પુત્રને રાજા બનાવીએ.’ “પણ હું સર્વસમર્થ પ્રભુ જાહેર કરું છું કે એવું તો ન બને તે ન જ બને. કારણ, અરામનું પાટનગર દમાસ્ક્સ છે અને રસીન દમાસ્ક્સનો રાજા છે. પાંસઠ વર્ષમાં એફ્રાઈમ એવું વેરવિખેર થઈ જશે કે તેનું પ્રજા તરીકે અસ્તિત્વ નહિ રહે. ઇઝરાયલનું પાટનગર સમરૂન છે અને પેકા સમરૂનનો રાજા છે. “તમે વિશ્વાસમાં અડગ રહેશો નહિ, તો તમે ટકી શકશો નહિ.” પ્રભુએ આહાઝને બીજો સંદેશો મોકલ્યો: “તારા ઈશ્વર પ્રભુ પાસેથી નિશાની માગ. પછી ભલે એ નિશાની મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી હોય કે ઊંચે આકાશમાંથી હોય!” આહાઝે જવાબ આપ્યો, “હું નિશાની માગીશ નહિ. મારે પ્રભુની ક્સોટી કરવી નથી.” યશાયાએ જવાબ આપ્યો, “હે દાવિદના વંશજો, સાંભળો! તમે માણસની ધીરજ ખૂટી જાય એવું કરો છો એ બસ નથી કે હવે તમે ઈશ્વરની પણ ધીરજ ખૂટી જાય તેમ કરશો? તો હવે પ્રભુ પોતે તમને નિશાની આપશે: કન્યા સગર્ભા છે અને તેને પુત્ર જન્મશે અને તે તેનું નામ ઇમ્માનુએલ (ઈશ્વર આપણી સાથે) પાડશે. તે છોકરો ભૂંડાનો ત્યાગ કરવાની અને ભલાનો સ્વીકાર કરવાની સમજણ પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં તો દહીં અને મધ ખવાતાં થઈ જશે. અરે, છોકરો ભૂંડાનો ત્યાગ કરવાની અને ભલાનો સ્વીકાર કરવાની સમજણ પ્રાપ્ત કરે તે પહેલાં તો જે બે રાજાઓનો તને ડર લાગે છે તેમનો દેશ ઉજ્જડ થઈ જશે. “એફ્રાઈમ યહૂદિયાથી વિખૂટો પડયો ત્યાર પછી ક્યારેય આવ્યા ન હોય એવા વિકટ દિવસો પ્રભુ તારા પર, તારી પ્રજા પર અને તારા રાજવી કુટુંબ પર લાવશે. એટલે કે તે આશ્શૂરના રાજાને બોલાવી લાવશે. “તે સમયે પ્રભુ ઇજિપ્તવાસીઓને નાઇલ નદીના દૂરદૂરના ફાંટાઓ પાસેથી માખીની જેમ અને આશ્શૂરીઓને તેમના દેશમાંથી મધમાખીઓની જેમ સીટી વગાડીને બોલાવશે. તેઓ કરાડવાળાં કોતરોમાં, ખડકોની ફાટોમાં, બધાં કાંટાળા છોડવાઓમાં અને જળાશયોની બખોલોમાં છવાઈ જશે. “તે સમયે પ્રભુ યુફ્રેટિસની પેલે પારથી ભાડે રાખેલા અસ્ત્રાને, એટલે આશ્શૂરના રાજાને લાવશે અને તમારી દાઢીના, માથાના અને પગના વાળ કાપી નાખશે. “તે સમયે પ્રત્યેક માણસ પાસે એક વાછરડી અને બે ઘેટી હશે. છતાં તેઓ એટલું બધું દૂધ આપશે કે તેઓ તેનું દહીં બનાવીને ખાશે. હા, દેશના બાકી રહેલા સૌ દહીં અને મધ ખાશે. “તે સમયે જ્યાં ચાંદીના હજાર સિક્કાની કિંમતના હજાર દ્રાક્ષવેલા હતા તેવી દ્રાક્ષવાડીમાં કાંટા અને ઝાંખરા ઊગી નીકળશે. લોકો ત્યાં ધનુષ્યબાણ લઈને શિકારે જશે. કારણ, આખો દેશ કાંટાઝાંખરાથી છવાઈ જશે. જે બધી ટેકરીઓ ઉપર કોદાળીથી ખોદકામ થતું હતું ત્યાં કાંટા અને ઝાંખરાની બીકથી કોઈ કહેતાં કોઈ જશે નહિ. તે ઢોરઢાંક અને ઘેટાંબકરાંની ચરવાની જગ્યા થઈ જશે.” પ્રભુએ મને કહ્યું, “એક મોટી લેખનપાટી લઈને તે પર મોટા અક્ષરે ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ (ત્વરિત લૂંટાલૂંટ, ઝડપી લૂંટાલૂંટ) લખ. મારા તરફથી બે વિશ્વાસુ સાક્ષીઓ તરીકે ઉરિયા યજ્ઞકાર અને યેબેરેખ્યાના પુત્ર ઝખાર્યાને બોલાવી લે.” પછી મેં સંદેશવાહિકા સાથે સમાગમ કર્યો, એટલે તે ગર્ભવતી થઈ અને તેને પુત્ર જન્મ્યો. ત્યારે પ્રભુએ મને કહ્યું. “તેનું નામ ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ પાડ. કારણ, તે છોકરો ‘મારા પિતા’ અને ‘મારી મા’ બોલતો થાય તે પહેલાં આશ્શૂરનો રાજા દમાસ્ક્સની બધી સંપત્તિ અને સમરૂનની લૂંટ લઈ જશે.” પ્રભુએ ફરીથી મારી સાથે વાત કરી. તેમણે કહ્યું, “આ લોકોએ શિલોઆના મંદમંદ વહેતા ઝરણાને ત્યજી દીધું છે, અને તેઓ રસીન અને રમાલ્યાના પુત્ર પેકાથી રાજી છે. તે માટે હું પ્રભુ આશ્શૂરના રાજાને તેના શસ્ત્રસજ્જિત સૈન્ય સાથે યહૂદિયા પર ચડાઈ કરવા લઈ આવીશ. તેઓ યુફ્રેટિસ નદીના વિશાળ અને ધસમસતા પ્રવાહની જેમ ચડી આવશે. એ પ્રવાહથી નાળાં ઊભરાઈ જશે અને તેમના કાંઠા છલકાઈ જશે. તે યહૂદિયામાં ધસી જઈ ફરી વળશે અને આગળ વધતાં ગળા સુધી પહોંચશે. આખા દેશને આવરી લે તે રીતે તે પોતાની પાંખો પ્રસારશે.” ઈશ્વર અમારી સાથે હો! હે વિદેશીઓ, યુદ્ધનો લલકાર કરો, પણ યાદ રાખો કે તમારા ભુક્કા બોલી જશે. હે દૂરદૂરના દેશો, ધ્યનથી સાંભળો! યુદ્ધને માટે ભલે સજ્જ થાઓ, પણ તમારા ચૂરેચૂરા થઈ જશે. યુદ્ધને માટે ભલે તૈયાર થાઓ, પણ તમારો ઘાણ વળી જવાનો છે. યુદ્ધ માટે વ્યૂહ રચો, પણ તે નિષ્ફળ જશે. મંત્રણાઓ કરો, પણ તે પડી ભાંગશે! કારણ, ઈશ્વર અમારી સાથે છે. પ્રભુએ મને પોતાના હાથના જોરે પકડી રાખીને ચેતવણી આપી કે તારે આ લોકોના માર્ગમાં ચાલવું નહિ. તેમણે કહ્યું, “લોકો જેને કાવતરું કહે છે તેને તમારે કાવતરું કહેવું નહિ અને તેઓ જેનાથી બીએ છે તેનાથી તમારે બીવું કે ગભરાવું નહિ. માત્ર હું સર્વસમર્થ પ્રભુ જ પવિત્ર છું. તમારે માત્ર મારી જ બીક રાખવી. હું તમારે માટે પવિત્રસ્થાન બની રહીશ; પણ ઇઝરાયલ અને યહૂદિયા માટે તો હું ઠોકર ખવડાવનાર પથ્થર જેવો અને ગબડાવી નાખે તેવા ખડક જેવો બની રહીશ. વળી, યરુશાલેમના લોકો માટે હું ફાંદા અને જાળરૂપ બનીશ. ઘણા ઠોકર ખાશે. તેઓ પડી જશે અને કચડાઈ જશે. તેઓ સકંજામાં પકડાઈ જશે. “હે મારા શિષ્યો, તમારી વચમાં હું આ સાક્ષી બાંધી દઉં છું અને આ સંદેશા પર મહોર મારું છું.” પ્રભુ યાકોબના વંશજોથી વિમુખ થઈ ગયા છે, પણ હું તેમનામાં જ મારી આશા રાખીશ અને તેમના પર જ ભરોસો મૂકીશ. હું તથા પ્રભુએ મને આપેલાં આ બાળકો સિયોન પર્વત પર નિવાસ કરનાર સર્વસમર્થ પ્રભુ તરફથી ઇઝરાયલમાં નિશાની અને પ્રતીક સમા છીએ. લોકો તમને કહેશે કે, “જોશીઓ અને બડબડ કરનારા ભૂવાઓનો સંપર્ક સાધો. લોકોએ પોતાના દેવને ન પૂછવું જોઈએ? તેમણે જીવતાં માણસો માટે મરેલાંઓને પૂછવું જોઈએ?” પણ તમે નિયમ તથા સાક્ષ્યલેખ તરફ ધ્યાન આપો. એના સંદેશ પ્રમાણે તેઓ ન બોલવાના હોય તો તેનાથી તેમને કંઈ જાણકારી પ્રાપ્ત થશે નહિ. પીડિતો અને કંગાલો આખા દેશમાં ભટકશે. તેઓ આકાશ તરફ મીટ માંડશે. તેઓ ભૂખના માર્યા રોષે ભરાઈને તેમના રાજાને અને ઈશ્વરને શાપ દેશે. તેઓ પૃથ્વી પર નજર કરશે તો તેમને વિપત્તિ, અંધકાર અને ડરામણી ગ્લાનિ જ દેખાશે અને તેઓ ઘોર અંધકારમાં ધકેલાઈ જશે. છતાં સંકટમાં સપડાયેલાઓ માટે અંધકાર કંઈ કાયમ રહેવાનો નથી. ભૂતકાળમાં ઝબુલૂન અને નાફતાલીના કુળપ્રદેશો નામોશીપાત્ર થયા હતા, પણ ભવિષ્યમાં ભૂમધ્ય સમુદ્રના કાંઠાપ્રદેશના ધોરીમાર્ગથી યર્દનના કિનારા સુધીનો સમગ્ર ગાલીલ પ્રદેશ, જ્યાં પરદેશીઓ વસે છે, તેની પ્રતિષ્ઠા વધશે. અંધકારમાં ચાલતા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. ઘોર અંધકારમાં વસનારા પર પ્રકાશ ચમકયો છે. તમે તેમને પ્રફુલ્લિત કર્યા છે; તમે તેમનો આનંદ વધાર્યો છે. કાપણી કરતાં કે લૂંટ વહેંચતાં જેવો આનંદ થાય તેવો આનંદ તેઓ તમારા સાંનિધ્યમાં અનુભવે છે. કારણ, વર્ષો પૂર્વે તમે મિદ્યાનીઓના સૈન્યને હરાવ્યું હતું તે પ્રમાણે તમે તમારા લોક પરની ઝૂંસરીનાં, તેમના ખભા પરના ત્રાસદાયક દાંડાના એટલે તેમના પર જુલમ કરનારાઓના દંડના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા છે. કારણ, રણમેદાનમાં ઝઝૂમતા યોદ્ધાઓનાં પગરખાં અને લોહીમાં ખરડાયેલાં તેમનાં વસ્ત્રો અગ્નિમાં બાળી નાખવામાં આવશે. આપણે માટે છોકરો જન્મ્યો છે; આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજ્યાધિકાર ધારણ કરશે. તેને અદ્‍ભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે. તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે. ઇઝરાયલ વિરુદ્ધ એટલે યાકોબના વંશજો વિરુદ્ધ પ્રભુએ પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. એફ્રાઈમના તેમ જ સમરૂનના સર્વ રહેવાસીઓને એની ખબર પડશે. એ લોકો તો પોતાના અભિમાન અને તુમાખીમાં કહે છે કે, “ઈંટોનાં મકાનો ભલે પડી ગયાં, હવે આપણે પથ્થરોનાં બાંધીશું. ગુલ્લરવૃક્ષ કાપી નંખાયાં છે, પણ તેને બદલે આપણે ગંધતરુનાં લાકડાંનો ઉપયોગ કરીશું.” પ્રભુએ રસીનના દુશ્મનોને જ તેમના પર આક્રમણ કરવા ઉશ્કેર્યા છે. પૂર્વ તરફથી અરામે અને પશ્ર્વિમ તરફથી પલિસ્તીઓએ ઇઝરાયલને ગળી જવા પોતાનું મોં ઉઘાડયું છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે. સર્વસમર્થ પ્રભુએ શિક્ષા કરી હોવા છતાં ઇઝરાયલીઓ પોતાના પાપથી વિમુખ થઈને પ્રભુ પાસે પાછા આવ્યા નથી. આથી એક જ દિવસમાં પ્રભુ ઇઝરાયલમાંથી માથું અને પૂંછડી તથા તાડની ડાળી અને બરુ કાપી નાખશે. લોકોના આગેવાનો અને પ્રતિષ્ઠિત માણસો માથું છે અને જૂઠું શિક્ષણ આપનાર સંદેશવાહક પૂંછડી છે. આ લોકોના આગેવાનોએ તેમને ગેરમાર્ગે દોર્યા છે અને એમ તેમને ભટકાવી દીધા છે. તેથી પ્રભુ તેમના જુવાનોને જીવતા જવા દેશે નહિ અને તે કોઈ વિધવા કે અનાથ પર દયા દાખવશે નહિ. કારણ, બધા જ લોકો અધર્મી અને દુષ્ટ છે. એકેએક જણ ભૂંડું બોલે છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે. લોકોની દુષ્ટતા આગની જેમ ભભૂકી ઊઠી છે અને તેમાં કાંટાઝાંખરાં સળગી જશે. એ આગ ગાઢ જંગલને પણ ભડકે બાળે છે અને તેના ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ચડે છે. સર્વસમર્થ પ્રભુનો કોપ આખા દેશમાં ભભૂકી ઊઠયો છે અને લોકો એમાં બળતણ જેવા બન્યા છે. કોઈ પોતાના ભાઈ પર દયા રાખતો નથી. તેઓ જમણે હાથે ખોરાક ઝૂંટવી લે છે, પણ તેમની ભૂખ મટતી નથી. તેઓ ડાબે હાથે ખાય છે, પણ ધરાતા નથી. બલ્કે, તેઓ પોતાનાં બાળકોને ખાઈ જાય છે! મનાશ્શાના લોક એફ્રાઈમના અને એફ્રાઈમના લોક મનાશ્શાના ભક્ષ થઈ પડયા છે. તેઓ સાથે મળીને યહૂદિયાને ખાઈ જવા હુમલો કરે છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી પણ સજા કરવાને ઉગામેલો છે. તમારી કેવી દુર્દશા થશે! તમે અન્યાયી કાયદા ઘડો છે અને જુલમી ચુકાદા આપીને જુલમ કરો છો. એ રીતે તમે ગરીબોનો હક્ક છીનવી લો છો અને પીડિતોને ન્યાયથી વંચિત રાખો છો. તમે વિધવાઓને તમારો શિકાર બનાવો છો અને અનાથોને લૂંટો છો. ઈશ્વર તમને સજા ફરમાવશે ત્યારે તમે શું કરશો? તે તમારા પર દૂર દેશથી આફત લાવશે ત્યારે તમે શું કરશો? તમે મદદ માટે કોની પાસે દોડી જશો? તમારી ધનદોલત ક્યાં મૂકી જશો? તમે કાં તો લડાઈમાં માર્યા જશો કાં તો નતમસ્તકે કેદી તરીકે પકડી જવાશો. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે. પ્રભુએ કહ્યું, “અરે, આશ્શૂર! આશ્શૂર તો મારા કોપનો દંડ છે અને તેના હાથમાં મારા રોષની લાકડી છે. મને કોપાયમાન કરનાર અધર્મી પ્રજા પર આક્રમણ કરવા હું આશ્શૂરને મોકલીશ. તેમને લૂંટી લેવા, તેમની સંપત્તિ પચાવી પાડવા અને તેમને શેરીઓ ક્દવની જેમ ખૂંદી નાખવા હું આશ્શૂરને આજ્ઞા આપીશ.” પણ આશ્શૂરના રાજાનો ઈરાદો તો કંઈક જુદો જ છે. તેના મનની ધારણા અલગ જ છે. તેનો ઈરાદો તો ઘણી પ્રજાઓનું નિકંદન કાઢી નાખવાનો છે. તે બડાઈ મારે છે, “શું મારા સૈન્યના બધા અધિકારીઓ રાજાઓ નથી? શું મેં જેમ કાલ્નો પર તેમ ર્ક્કમીશ પર, જેમ હમાથ પર તેમ આર્પાદ પર અને જેમ સમરૂન પર તેમ દમાસ્ક્સ પર જીત મેળવી નથી? યરુશાલેમ અને સમરૂન કરતાં યે વધારે ભવ્ય મૂર્તિઓની પૂજા કરતા રાજ્યો મારા હાથમાં આવ્યાં છે. સમરૂન અને તેની બધી મૂર્તિઓનો મેં નાશ કર્યો છે અને તે જ પ્રમાણે હું યરુશાલેમ તથા તેની મૂર્તિઓનો નાશ કરીશ.” પણ પ્રભુ કહે છે, “સિયોન પર્વત પર અને યરુશાલેમમાં મારું કાર્ય પૂરું થયા પછી હું આશ્શૂરના રાજાને તેના મનના ઘમંડ માટે અને તેની આંખની મગરૂબી માટે સજા કરીશ.” આશ્શૂરનો રાજા બડાઈ મારે છે, “મેં એ મારા બાહુબળથી કર્યું છે, હા, મારી બુદ્ધિથી કર્યું છે; કારણ, હું ચતુર છું. મેં રાજ્યોની સીમાઓ ખસેડી નાખી છે અને તેમના ભંડારો લૂંટયા છે. મેં આખલાની જેમ ત્યાંના રહેવાસીઓને ખૂંદ્યા છે. દુનિયાનાં રાજ્યો તો પંખીના માળા જેવાં છે અને તેમાંથી હું જાણે છોડી દીધેલાં ઈંડા એકઠાં કરતો હોઉં તેમ સહેલાઈથી તેમને જીતીને લૂંટી લીધાં છે. કોઈએ પાંખ પણ ફફડાવી નથી કે ચાંચ ઉઘાડીને ‘ચીંચી’ પણ કર્યું નથી.” પ્રભુ કહે છે, “શું કુહાડી તેના વાપરનારની સામે બડાઈ મારે? એ તો લાઠી માણસને ઊંચક્તી નથી, પણ માણસ લાઠીને ઉઠાવે છે એના જેવું છે.” એ માટે સર્વસમર્થ પ્રભુ તેના ખડતલ યોદ્ધાઓ નિર્બળ થઈ જાય તેવો રોગ મોકલશે. તે તેમના શરીરમાં ભભૂક્તી આગની જેમ બળ્યા કરશે. ઇઝરાયલનો પ્રકાશ અગ્નિરૂપ થશે અને પવિત્ર ઈશ્વર તેમને માટે જ્વાળારૂપ બનશે. એક જ દિવસમાં તે કાંટા ઝાંખરા સહિત બધું બાળી નાખશે. જેમ જીવલેણ રોગ માનવીનો નાશ કરે તેમ ગીચ વનો અને ફળદ્રુપ ખેતરોનો સંપૂર્ણ વિનાશ થશે. વનમાં એટલાં થોડાં વૃક્ષ બાકી રહેશે કે બાળક પણ ગણી શકે! એવો સમય આવશે કે ઇઝરાયલના, એટલે, યાકોબના વંશજોમાંથી બચી ગયેલા લોકો તેમના પર ઘા કરનાર દેશ પર આધાર રાખશે નહિ, પણ તેઓ ઇઝરાયલના પવિત્ર પ્રભુ પર સાચા દિલથી ભરોસો રાખશે. યાકોબના વંશજોમાંથી બાકી રહેલા થોડા લોક પરાક્રમી ઈશ્વર પાસે પાછા આવશે. જો કે ઇઝરાયલના લોક સમુદ્રની રેતીના કણ જેટલા હશે તો પણ તેમાંથી થોડા જ પાછા આવશે. લોકોને માટે વિનાશ નિર્મિત છે અને તેઓ તેને માટે યોગ્ય છે. સર્વસમર્થ પ્રભુ પોતે નક્કી કર્યા પ્રમાણે સમસ્ત દેશનો વિનાશ લાવશે. તેથી સર્વસમર્થ પ્રભુ કહે છે, “હે સિયોનમાં વસનારા મારા લોક, જો કે આશ્શૂરીઓ તમારા પર ઇજિપ્તીઓની માફક જુલમ ગુજારે તો પણ તમે તેમનાથી ગભરાશો નહિ. થોડા સમયમાં તમારા પરનો મારો કોપ સમાપ્ત થશે અને પછી હું તેમનો નાશ કરીશ. જેમ મેં ઓરેબના ખડકે મિદ્યાનના લોકોને ફટકાર્યા તેમ હું તેમને ચાબુકથી ફટકારીશ અને જેમ મેં ઇજિપ્તીઓને સમુદ્રમાં શિક્ષા કરી હતી તેમ હું આશ્શૂરને સજા કરીશ. એ સમયે હું તમારા ખભા પરથી આશ્શૂરના જુલમનો બોજો ઉતારી મૂકીશ અને તમે પુષ્ટ થયા હોવાથી તમારી ગરદન પરથી તેમની ઝૂંસરી ભાંગી નાખીશ.” દુશ્મનના લશ્કરે આયાથ નગર પર જીત મેળવી છે. તેઓ મિગ્રોનમાં થઈ પસાર થયા છે. મિખ્માશમાં તેમણે પોતાનો શસ્ત્રસરંજામ રાખ્યો છે. તેઓ ખીણની પાર આવ્યા છે અને ગેબામાં રાતવાસો કર્યો છે. સમાના રહેવાસીઓ ધ્રૂજે છે અને શાઉલના નગર ગિબ્યાના લોકો નાસી ગયા છે. હે ગાલ્લીમના લોકો, બૂમ પાડો. હે લાઈશાના લોકો, સાંભળો. હે અનાથોથના લોકો, જવાબ આપો. માદમેના અને ગેબીમના લોકો જીવ બચાવવાને નાસી છૂટયા છે. દુશ્મનો નોબમાં ખડક્યા છે અને ત્યાંથી સિયોન પર્વત પર, યરુશાલેમ શહેર પર આક્રમણ કરશે. જેમ વૃક્ષ પરથી ડાળી મોટા કડાકા સાથે કાપી નાખવામાં આવે તેમ તેમને કાપી નાખવામાં આવશે. તે ઊંચા અને પડછંદ માણસોની ક્તલ કરી તેમને ભોંયભેગા કરી દેશે. કુહાડાથી ગીચ જંગલને કાપી નાખવામાં આવે અને લબાનોનનાં મજબૂત વૃક્ષો ઢળી પડે તેમ પ્રભુ તેમને કાપી નાખશે. પણ યિશાઈના ઠુંઠામાંથી ફણગો ફૂટશે અને તેની જડમાંથી ફૂટેલી ડાળીને ફળ આવશે. પ્રભુનો આત્મા એટલે, ડહાપણ અને સમજ આપનાર આત્મા, વિવેકબુદ્ધિ અને સામર્થ્ય આપનાર આત્મા તથા પ્રભુનું જ્ઞાન અને અદબ પમાડનાર આત્મા તેના પર રહેશે. તે પ્રભુથી ડરીને ચાલવામાં આનંદ પામશે. તે દેખાવ પરથી ન્યાય કરશે નહિ અથવા સાંભળેલી વાત પર ચુકાદો આપશે નહિ. તે નિરાધારોનો યથાર્થ ન્યાય કરશે અને દેશના દીનજનોને તેમના હક્ક અપાવશે. તેની દંડાજ્ઞાથી પૃથ્વીના રહેવાસીઓ શિક્ષા પામશે અને તેની ફૂંકમાત્રથી દુષ્ટો માર્યા જશે. ન્યાયીપણું તેનો કમરપટ્ટો, ને પ્રામાણિક્તા તેનો કમરબંધ થશે. એ સમયે વરુ અને હલવાન સાથે રહેશે, અને ચિત્તો લવારા સાથે સૂઈ જશે. વાછરડું અને સિંહનું બચ્ચું સાથે ખાશે, અને નાનું બાળક તેમને સાચવશે. ગાય અને રીંછડી સાથે ચરશે, અને તેમનાં બચ્ચાં સાથે સૂઈ જશે. સિંહ ઢોરની જેમ ઘાસ ખાશે. ધાવણું બાળક નાગના રાફડા પર રમશે, અને નાનું બાળક ઝેરી સાપના દરમાં હાથ ઘાલશે. ઈશ્વરના પવિત્ર પર્વત સિયોન પર નુક્સાન કે વિનાશ કરનાર કંઈ હશે નહિ. જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમ પૃથ્વી પ્રભુના જ્ઞાનથી ભરપૂર થશે. તે દિવસે યિશાઈનું મૂળ પ્રજાઓ માટે સંકેતની વજા બની રહેશે. તેઓ તેની પાસે એકત્ર થશે અને તેના નિવાસસ્થાનનું ગૌરવ વધશે. એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે. પ્રભુ પ્રજાઓ માટે સંકેતની વજા ફરકાવશે અને દેશવટો પામેલા ઇઝરાયલીઓને એકત્ર કરશે, અને યહૂદિયાના વિખેરાઈ ગયેલા લોકોને પૃથ્વીની ચારે દિશામાંથી ભેગા કરશે. એફ્રાઈમમાંથી ઈર્ષા નાબૂદ થશે અને યહૂદિયાના દુશ્મનો નષ્ટ થઈ જશે. એફ્રાઈમ યહૂદિયાની અદેખાઈ કરશે નહિ અને યહૂદિયા એફ્રાઈમ પ્રત્યે વેરભાવ રાખશે નહિ. તેઓ સાથે મળીને પશ્ર્વિમ તરફ પલિસ્તીઓ પર આક્રમણ કરશે, તેમજ પૂર્વની પ્રજાઓને પણ લૂંટશે. તેઓ અદોમ અને મોઆબ પર વિજય મેળવશે અને આમ્મોનીઓ તેમને આધીન થશે. પ્રભુ ઇજિપ્તના સમુદ્રના અખાતને સૂકવી નાખશે અને યુફ્રેટિસ નદીને બળબળતા વાયુથી સૂકવી નાખશે, અને તેના પ્રવાહને તે સાત નાનાં ઝરણાંમાં વહેંચી નાખશે, જેથી સૌ કોઈ તેને પગરખાં ઉતાર્યા વિના જ ઓળંગી શકશે. ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તેમને માટે હતો તેવો ધોરીમાર્ગ ઇઝરાયલ પ્રજાના આશ્શૂરમાં બાકી રહેલા લોકો માટે પણ થશે. તે દિવસે તમે ગાશો: “હે પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું! તમે મારા પર રોષે ભરાયા હતા, પણ હવે તમારો રોષ શમી ગયો છે અને તમે મને દિલાસો આપો છો. ઈશ્વર મારા ઉદ્ધારક છે. હું તેમના પર વિશ્વાસ રાખીશ અને બીશ નહિ. યાહ મારું સામર્થ્ય અને સ્તોત્ર છે. તે મારા ઉદ્ધારક બન્યા છે.” તમે આનંદપૂર્વક ઉદ્ધારના ઝરણામાંથી પાણી ભરશો. એ દિવસે લોકો ગાશે: યાહવેનો આભાર માનો! તેમને નામે મદદ માટે પોકાર કરો! પ્રજાઓ આગળ તેમનાં કાર્યો જણાવો! તેમનું નામ શ્રેષ્ઠ છે તેની તેમને જાણ કરો! પ્રભુનાં સ્તોત્ર ગાઓ; કારણ, તેમણે ઉત્તમ કાર્યો કર્યાં છે. વળી, એ સમાચાર આખી સૃષ્ટિમાં જણાવો! સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે. આમોઝના પુત્ર યશાયાને ઈશ્વરે બેબિલોન વિષે પ્રગટ કરેલો સંદેશો: વેરાન પર્વતના શિખર પર લડાઈનો વજ લહેરાવો! સૈનિકો હાંક મારો અને તેમને હાથ હલાવી ઈશારો કરતાં જણાવો કે તેઓ ઉમરાવોના દરવાજાઓમાં ધૂસી જાય. પ્રભુએ પોતાના સમર્પિત લોકને હુકમ આપ્યો છે, અને તેમના વિજયથી આનંદ પામનારા સૈનિકોને પોતાના ક્રોધનો અમલ કરવા બોલાવ્યા છે. સાંભળો! પર્વતો પર મોટા જનસમુદાયનો કોલાહલ સંભળાય છે. સંગઠિત થતાં રાજ્યો અને પ્રજાઓનો ઘોંઘાટ સંભળાય છે. સેનાધિપતિ પ્રભુ યુદ્ધને માટે સૈનિકોને ભેગા કરે છે. તેઓ દૂરદૂરના દેશોમાંથી અને પૃથ્વીના છેડેથી આવે છે. પ્રભુ અને તેમના કોપનો અમલ કરનારા સૈનિકો આખા દેશનો વિનાશ કરવાને આવે છે. વિલાપ કરો! કારણ, પ્રભુનો દિવસ પાસે છે. એ તો સર્વસમર્થ ઈશ્વર તરફથી સંહારનો દિવસ થશે. સૌના હાથ ઢીલા પડી જશે અને સૌ કોઈ હિંમત હારી જશે. તેમનામાં ગભરાટ ફેલાઈ જશે. તેઓ દર્દ અને વેદનામાં સપડાઈ જશે; તેથી તેઓ જાણે કે પ્રસૂતાની જેમ કષ્ટાશે. તેઓ એકબીજાની સામે ભયભીત આંખે તાકી રહેશે અને તેમના ચહેરા ભડકે બળશે. પ્રભુનો દિવસ આવે છે. એ ક્રૂર દિવસે તેમનો કોપ અને ઉગ્ર ક્રોધ પ્રગટ થશે. તેથી પૃથ્વી ઉજ્જડ બની જશે અને તેમાંથી બધા પાપીઓનો નાશ થશે. આકાશના તારાઓ અને નક્ષત્રો પ્રકાશ આપશે નહિ. સૂર્ય તો ઊગશે ત્યારે જ અંધકારમય હશે અને ચંદ્ર પ્રકાશ આપશે નહિ. પ્રભુ કહે છે, “હું દુનિયાને તેની દુષ્ટતાની અને દુષ્ટોને તેમનાં પાપની સજા કરીશ. હું ઉદ્ધતોના અભિમાનનો અંત લાવીશ અને પ્રત્યેક અભિમાની અને ઘાતકીને સજા કરીશ. શુદ્ધ સોનું અને ઓફિરના સોના કરતાં યે માણસોની અછત વધુ વર્તાશે. હું, સર્વસમર્થ પ્રભુ, મારા ભભૂક્તા રોષના દિવસે મારા કોપથી આકાશોને ધ્રૂજાવી દઈશ અને પૃથ્વી સ્થાનભ્રષ્ટ થઈ જશે. શિકારીના હાથમાંથી નાસી છૂટેલા હરણની જેમ અને ભરવાડ વિનાનાં ઘેટાંની જેમ પ્રત્યેક જણ પોતાના લોકો પાસે જતો રહેશે; તે પોતાના વતનના દેશમાં નાસી જશે. જે કોઈ પકડાઈ જશે તેને ખંજર હુલાવી દેવાશે અને સપડાઈ જનાર સૌ કોઈ તલવારનો ભોગ થઈ પડશે. તેમનાં બાળકોને તેમની આંખો આગળ પછાડીને તેમના ટુંકડા કરી નાખશે, તેમનાં ઘર લૂંટાશે અને તેમની સ્ત્રીઓ પર બળાત્કાર કરાશે.” પ્રભુ કહે છે, “જેમને ચાંદીની કંઈ પડી નથી અને સોનામાં જરાય રસ નથી એવા માદીઓને હું બેબિલોન પર આક્રમણ કરવા ઉશ્કેરીશ. તેમનાં તીર યુવાનોને વીંધી નાખશે. ધાવણાં બાળકો પર તેઓ દયા રાખશે નહિ અને નાનાં બાળકો પર તેઓ કરુણા દાખવશે નહિ. બેબિલોન તો સર્વ રાજ્યોમાં શિરોમણિ અને ખાલદી લોકોનું ગૌરવ છે. પણ હું પ્રભુ સદોમ અને ગમોરાની માફક તેનો વિનાશ કરી દઈશ. ત્યાં ફરી કદી કોઈ વસશે નહિ; ન તો કોઈ વિચરતો આરબ ત્યાં પોતાનો તંબુ તાણશે; ન તો કોઈ ભરવાડ કદી પોતાનાં ઘેટાં ચરાવશે. પણ ત્યાં રણપ્રદેશમાં પ્રાણીઓનો વાસો થશે. તેમનાં ઘરો ધુવડોથી ભરાઈ જશે; ત્યાં શાહમૃગોનો વાસ થશે અને જંગલી બકરાં કૂદાકૂદ કરશે. તેમના કિલ્લાઓમાં વરુ અને તેમના વૈભવવિલાસી મહેલોમાં શિયાળવાં ભૂંકશે. બેબિલોનનો સમય આવી લાગ્યો છે; તેનું પતન નજીક છે.” પ્રભુ ફરીથી યાકોબના વંશજો પર દયા કરશે; હા, તે ઇઝરાયલને પોતાના લોક તરીકે ફરીથી પસંદ કરશે. તે તેમને ફરીથી પોતાના વતનમાં વસાવશે. પરદેશીઓ પણ ત્યાં આવીને યાકોબના વંશજોની સાથે સાથે રહેશે. પોતાના વતનના દેશમાં પાછા ફરવા માટે ઘણી પ્રજાઓ ઇઝરાયલીઓને મદદ કરશે. પ્રભુની ભૂમિમાં તેઓ ઇઝરાયલીઓના દાસદાસીઓ તરીકે તેમની સેવા કરશે. એકવાર ઇઝરાયલને બંદીવાન કરનારાઓને હવે ઇઝરાયલ બંદીવાન કરશે, અને તેમના પર જુલમ ગુજારનારાઓ પર ઇઝરાયલીઓ રાજ કરશે. હે ઇઝરાયલી પ્રજા, પ્રભુ તમને દુ:ખ, પીડા અને લદાયેલી વેઠમાંથી છુટકારો આપશે. એ દિવસે તમે બેબિલોનના રાજાને મહેણાં મારતાં કહેશો, “જુલમગાર કેવો નષ્ટ થઈ ગયો છે! તેનો ઉગ્ર ક્રોધ કેવો શમી ગયો છે! પોતાના રોષમાં સતત પ્રહાર કરી પ્રજાઓને ઝૂડી નાખનાર અને પોતાના ક્રોધાવેશમાં તાબે થયેલી પ્રજાઓ પર અવિરત અત્યાચાર કરનાર દુષ્ટની સોટીને અને રાજ્યર્ક્તાઓના રાજદંડને પ્રભુએ ભાંગી નાખ્યાં છે. *** છેવટે આખી દુનિયા રાહત અને શાંતિ અનુભવે છે અને સૌ આનંદથી ગીત ગાવા લાગ્યાં છે. દેવદાર, અને લબાનોનનાં ગંધતરુ આનંદ કરતાં કહે છે, ‘તને કબરમાં ઉતારી દેવામાં આવ્યો ત્યારથી કોઈ કઠિયારો અમને કાપવા આવ્યો નથી.’ તારું સ્વાગત કરવા મૃત્યુલોક શેઓલમાં હલચલ મચી ગઈ છે અને પૃથ્વીના શાસકોના આત્મા સળવળી ઊઠયા છે. રાજાઓના મૃતાત્માઓ રાજગાદી પરથી ઊભા થાય છે. તેઓ સૌ તેને કહે છે, ‘તું પણ અમારા જેવો નબળો થઈ ગયો? તું ય અમારા જેવો બની ગયો? વીણાના સંગીત સહિતનો તારો સર્વ વૈભવ વિલાઈ ગયો છે અને તને મૃત્યુલોક શેઓલમાં ઉતારી દેવામાં આવ્યો છે. તું અળસિયાંની પથારી પર પડયો છે અને તેં કીડાઓનો કામળો ઓઢયો છે.’ ” હે સવારના તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી પડયો છે! ભૂતકાળમાં તેં પ્રજાઓને કચડી નાખી હતી પણ હવે તને જમીન પર પટકવામાં આવ્યો છે. તેં તારા મનમાં કહેલું, ‘હું આકાશમાં ચડીશ. હું ઈશ્વરના સર્વ તારાઓથી ય ઊંચે મારી રાજગાદી સ્થાપીશ. હું ઉત્તરના ભાગમાં આવેલા દેવોની સભાના પર્વતના શિખરે બિરાજીશ. હું વાદળોની ટોચ પર ચડીશ અને પોતાને પરમેશ્વર સમાન કરીશ.’ પણ તને તો મૃત્યુલોક શેઓલમાં, અઘોર ઊંડાણમાં ધકેલી દેવામાં આવ્યો છે. તને જોનારા તારી સામે તાકી રહેશે અને તારી દશા વિષે વિચારશે, ‘પૃથ્વીને કંપાવનાર અને રાજ્યોને ધ્રૂજાવનાર શું આ જ માણસ છે? શું આ જ માણસે દુનિયાને ઉજ્જડ બનાવી હતી અને તેનાં શહેરોનો નાશ કર્યો હતો? પોતાના કેદીઓને છટકીને ઘેર નાસી જવા ન દેનાર તે શું આ જ માણસ છે?’ પૃથ્વીના બધા રાજાઓ પૂરા સન્માનથી પોઢયા છે; પ્રત્યેક પોતાની કબરમાં છે. પણ તારું તો દફન પણ થયું નહિ! નકામી ડાળીની જેમ તારા શબને તિરસ્કારપૂર્વક સડવાને ફેંકી દેવાયું. યુદ્ધમાં તલવારનો ભોગ બનેલા સૈનિકોનાં ખૂંદાયેલાં અને પછી પથરાળ ખાડામાં નાખવામાં આવેલાં શબ સાથે તારું શબ છે. તેં તારા દેશને ખંડિયેર બનાવ્યો અને તારા જ લોકોને મારી નાખ્યા હતા. તેથી બીજા રાજાઓની જેમ દબદબાથી તારું દફન થશે નહિ. દુષ્ટના વંશજનું નામ કોઈ ક્યારેય યાદ કરશે નહિ. એના પુત્રો માટે વધસ્થાન તૈયાર કરો; તેમના પૂર્વજોના પાપને લીધે તેના પુત્રો માર્યા જાઓ. તમારામાંનો કોઈ પૃથ્વી પર રાજ ન કરે કે તેનાં શહેરોને તેઓ વસ્તીથી ભરપૂર ન કરે. સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું બેબિલોન પર હુમલો કરીશ અને તેને ખંડિયેર બનાવીશ. હું કશું બાકી રાખીશ નહિ. તેમનાં સંતાનો કે વંશજોમાંથી કોઈ બચવા પામશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું. હું બેબિલોનને ક્દવવાળી જગ્યામાં ફેરવી નાખીશ અને ત્યાં ધુવડો વાસો કરશે. હું બેબિલોનને વિનાશની સાવરણીથી વાળી નાખીશ. હું સર્વસમર્થ પ્રભુ એ બોલ્યો છું.” સર્વસમર્થ પ્રભુએ સમ ખાધા છે: “મારી જ યોજના પૂર્ણ થશે અને મારો જ ઈરાદો ફળીભૂત થશે. હું મારા ઇઝરાયલ દેશમાં આશ્શૂરીઓને કચડી નાખીશ અને મારા પર્વતો પર તેમને ખૂંદી નાખીશ. હું મારા લોકને આશ્શૂરની ઝૂંસરીમાંથી અને તેમના ખભા પરના તેમના બોજથી મુક્ત કરીશ. સમસ્ત દુનિયા માટેની એ જ મારી યોજના છે અને પ્રજાઓને શિક્ષા કરવાને મેં મારો હાથ ઉગામેલો છે.” સર્વસમર્થ પ્રભુએ નક્કી કરેલી યોજનાને કોણ રદ કરશે? શિક્ષા કરવાને તેમનો હાથ ઉગામેલો છે, તો તેને કોણ અટકાવી શકશે? આહાઝ મરણ પામ્યો તે વર્ષમાં આ સંદેશ પ્રગટ કરવામાં આવ્યો હતો: “હે પલિસ્તીઓ, તમને મારનાર લાઠી તૂટી ગઈ છે, પણ તેથી તમારે કંઈ હરખાવાની જરૂર નથી. એક સાપમાંથી બીજો ઝેરી સાપ પેદા થાય છે; એનું બચ્ચું ઊડણ સાપ બને છે. મારા લોકમાંથી ગરીબમાં ગરીબ માણસને ખાવા અન્‍ન મળશે અને દરિદ્રી નિર્ભયતાથી સૂશે, પણ હે પલિસ્તીઓ, તમારા પર તો હું દુકાળ મોકલીને તમારો જડમૂળથી સંહાર કરી દઈશ અને જેઓ બાકી રહેશે તેમની ક્તલ કરાશે.” હે પલિસ્તીઓનાં સર્વ નગરો અને તેમના દરવાજાઓ, તમે સૌ પોક મૂકીને રડો અને આક્રંદ કરો. ઉત્તર તરફથી આંધીની જેમ લશ્કર ચડી આવે છે; એમાં કોઈ ક્યર સૈનિક નથી. પલિસ્તીઓ તરફથી મોકલવામાં આવેલા સંદેશકોને અમે શો જવાબ આપીએ? આ જ જવાબ આપીશું: “પ્રભુએ સિયોનને સ્થાપન કર્યું છે અને તેમના પીડિતજનોને ત્યાં આશ્રય મળશે.” મોઆબ વિષેનો આ સંદેશ છે: એક જ રાતમાં મોઆબનાં આર અને કીર નગરોનો નાશ કરવામાં આવ્યો છે અને મોઆબ દેશમાં સન્‍નાટો છવાઈ ગયો છે. દીબોનના લોક મંદિરમાં એટલે પર્વત પરના ઉચ્ચસ્થાન પર વિલાપ કરવાને ચડે છે. મોઆબના લોકો નબો અને મેદબા નગરોને લીધે શોક કરે છે. શોકને લીધે તેઓ સૌએ પોતાના માથાના અને દાઢીના વાળ ઉતરાવ્યા છે. લોકો તાટ પહેરીને રસ્તાઓ પર ફરે છે; તેઓ ચોકમાં અને ઘરના ધાબા પર વિલાપ કરે છે. પોક મૂકીને રડે છે. હેશ્બોન અને એલઆલેના લોકો વિલાપ કરે છે અને તેમનો સાદ છેક યાહાસ સુધી સંભળાય છે. મોઆબના સશસ્ત્ર સૈનિકો પણ ધ્રૂજી ઊઠયા છે અને તેમની હિંમત ભાંગી પડી છે. મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે. તેના લોકો સોઆર અને એગ્લાથ-શલીશીયા નગરોમાં નાસી ગયા છે. કેટલાક તો રડતાં રડતાં લૂહીથનો ઘાટ ચડે છે. કેટલાક હોરોનાયિમ જતાં જતાં માર્ગમાં કલ્પાંત કરે છે. નિમ્રીમનું જળાશય સુકાઈ ગયું છે. તેની આસપાસનું ઘાસ તેમ જ વનસ્પતિ સુકાઈ ગયાં છે અને કંઈ લીલોતરી રહી નથી. લોકો પોતે સંઘરેલી સર્વ સંપત્તિ સાથે અરાબીમ (વેલાઓ)ના કોતરની પાર નીકળી જવા પ્રયાસ કરે છે. મોઆબની બધી સરહદો પર વિલાપનો સાદ સંભળાય છે. એગ્લાઈમ, અરે, બએર-એલીમ સુધી તેમનો વિલાપ પહોંચ્યો છે. દીમોનનાં પાણી લોહી લોહી થઈ ગયાં છે. છતાં ઈશ્વર હજી દીમોન પર મોટી આફત લાવનાર છે. મોઆબમાંથી નાસી છૂટેલા અને બચીને બાકી રહેલા સૌની પર સિંહ સમો સંહાર ત્રાટકશે. રણપ્રદેશને પેલે છેડે સેલા નગરથી મોઆબના લોકો સિયોન પર્વત પર આવેલા યરુશાલેમના રાજા પર બક્ષિસ તરીકે એક ઘેટું મોકલે છે. માળામાંથી હાંકી કાઢવામાં આવેલા ફફડતા પક્ષીની જેમ મોઆબના લોકો આર્નોનના ઓવારાઓ પર અટવાય છે. તેઓ યહૂદિયાના લોકોને કહે છે, “મંત્રણા કરો અને તમારે શું કરવું તેનો નિર્ણય આપો. ખરા બપોરના તાપમાં શીતળ છાયા આપનાર વૃક્ષની જેમ અમારું રક્ષણ કરો અને નિરાંત આપો. અમે ભાગી આવેલા નિરાશ્રિતો છીએ. કોઈ અમને શોધી ન શકે એવી જગ્યાએ અમને સંતાડો. અમને મોઆબમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે; અમને તમારા દેશમાં વસવા દો. અમારો નાશ કરનારાઓથી અમારું રક્ષણ કરો.” એકવાર જુલમનો અંત આવી જાય અને દેશને બેહાલ બનાવનારાઓ દેશમાં ચાલ્યા જાય, એટલે દાવિદનો વંશજ રાજ્યાસન પર બિરાજશે. પ્રેમથી તેના રાજ્યની સ્થાપના થશે અને સત્યતાથી તે લોકો પર રાજ ચલાવશે. તે અદલ ઈન્સાફ કરશે અને ન્યાયીપણાના પ્રવર્તનમાં તત્પરતા દાખવશે. યહૂદિયાના લોકો જવાબ આપશે, “મોઆબના લોકો કેવા ઘમંડી છે તે અમે સાંભળ્યું છે. તેમનું અભિમાન અને ઉદ્ધતાઈ અમે જાણીએ છીએ, પણ તેમની બડાશ વ્યર્થ છે. તેથી મોઆબના લોકો પોતાના દેશ પર આવી પડેલી આફતને લીધે રુદન કરશે. તેઓ કીરહરેસેથની સૂકી દ્રાક્ષોની પોળીઓ સંભારીને નિસાસા નાખીને રડશે. કારણ, હેશ્બોનનાં ખેતરો અને સિબ્માની દ્રાક્ષવાડીઓ ખેદાનમેદાન થઈ જશે. આ દ્રાક્ષવાડીઓના શ્રેષ્ઠ દારૂથી વિદેશી રાજ્યર્ક્તાઓ મસ્ત થતા હતા. એ સમયે એનો દ્રાક્ષવેલો યાઝેર સુધી, પૂર્વના રણપ્રદેશ સુધી અને પશ્ર્વિમમાં મૃતસરોવરને પેલે પાર પહોંચતો. તેથી હું સિબ્માના દ્રાક્ષવેલા માટે તેમજ યાઝેરના દ્રાક્ષવેલા માટે રુદન કરીશ. હું હેશ્બોન અને એલઆલેના માટે આંસુ સારું છું. કારણ ત્યાંના લોકો માટે પાકેલી દ્રાક્ષો વીણતી વખતે અને ફસલની કાપણી કરતી વખતે થતો આનંદ વિલાઈ ગયો છે. તેમની ફળની વાડીઓમાંથી આનંદ અને ઉત્સાહ ઓસરી ગયાં છે. દ્રાક્ષવાડીઓમાં ગવાતાં ગીતો બંધ થઈ ગયાં છે. કોઈ દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદીને તેનો દ્રાક્ષાસવ કાઢતું નથી. કારણ, મેં આનંદના પોકારનો અંત આણ્યો છે. આથી મારી દયવીણા વેદનાથી ઝણઝણી ઊઠી છે. અને કીસ્હરેસને માટે મારો અંતરાત્મા કકળી ઊઠયો છે. મોઆબના લોકો પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં અને પવિત્ર મંદિરોમાં પ્રાર્થના કરી કરીને થાકી જશે, પણ તેથી તેમને કંઈ ફાયદો થવાનો નથી. પ્રભુએ મોઆબ વિષેનો એ સંદેશો અગાઉથી આપેલો છે. પણ હવે પ્રભુ કહે છે, “ભાડૂતી નોકર વર્ષની સંખ્યા ગણે તેમ માત્ર ત્રણ જ વર્ષમાં મોઆબનો વૈભવ અને તેના વિશાળ જનસમુદાયનો તુચ્છકાર થશે. તેના લોકોમાંથી થોડા જ બચી જશે અને તે પણ કમજોર હશે.” દમાસ્ક્સ હવે શહેર તરીકે રહેશે નહિ, પણ તે ખંડિયેરનો ઢગલો થઈ જશે. સિરિયાનાં શહેરો કાયમને માટે છોડી દેવાયેલાં રહેશે. ત્યાં ઘેટાંબકરાંનાં ટોળાં નિરાંતે બેસશે અને કોઈ તેમને બીવડાવનાર હશે નહિ. એફ્રાઈમમાંથી કિલ્લેબંદીવાળા નગરનો લોપ થશે અને દમાસ્ક્સ પોતાની રાજદ્વારી સત્તા ગુમાવશે. ઇઝરાયલીઓના વૈભવની જેવી બૂરી હાલત થઈ તેવી જ અરામીઓની પણ થશે. હું સર્વસમર્થ પ્રભુ એ બોલ્યો છું.” પ્રભુએ કહ્યું, “એ દિવસે ઇઝરાયલના વૈભવનો અંત આવશે અને તેની સમૃદ્ધિ ઓસરી જશે. ઇઝરાયલની દશા કાપણી કરનારે ઊભા પાકને લણી લીધો હોય તેવા ખેતર જેવી અને કણસલાં વીણી લીધાં હોય તેવા રફાઈમની ખીણમાંના કોઈ ખેતર જેવી થશે. કોઈ ઓલિવવૃક્ષને ઝૂડયા પછી તેની ટોચે ઓલિવનાં બે કે ત્રણ ફળ રહી જાય અથવા કોઈ લચી પડેલી ડાળી પર ચારપાંચ ઓલિવફળ રહી જાય તે પ્રમાણે ઇઝરાયલમાંથી બહુ થોડા લોક બચી જશે. હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ એ બોલ્યો છું.” એ દિવસે લોકો પોતાના સર્જનહાર, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર પર મીટ માંડશે. પોતાને હાથે બનાવેલી વેદીઓ તરફ તેઓ તાકશે નહિ. વળી, પોતાની આંગળીઓથી બનાવેલી અશેરા દેવીની મૂર્તિઓ કે ધૂપવેદીઓ તરફ નિહાળશે નહિ. એ દિવસે તેમનાં કિલ્લાવાળાં નગરોની હાલત ઇઝરાયલીઓ આવ્યા ત્યારે હિત્તીઓ અને અમોરીઓએ ત્યજી દીધેલાં નગરોનાં જેવી થઈ જશે - બધું વેરાન થઈ જશે! હે ઇઝરાયલી લોકો, તમે તમારા ઉદ્ધારક ઈશ્વરને વીસરી ગયા છો અને તમારા આશ્રયસ્થાન સમા ખડકનું સ્મરણ કર્યું નથી. એને બદલે, તમે વનદેવતાની પૂજા માટે છોડ વાવો છો. તમે પરદેશી બિયારણ લાવીને વાવો છો. જોકે એક જ દિવસમાં તેને ફણગો ફૂટે અને તેની વૃદ્ધિ થાય તોપણ રોગ અને અસાય દર્દના દિવસમાં એની કંઈ ફસલ ઉપલબ્ધ થશે નહિ. ઊછળતા સાગરના ઘુઘવાટની જેમ ઘણી પ્રજાઓનો ઘુઘવાટ સંભળાય છે. લોકોનો ઘોઘાંટ મહાસાગરની ગર્જના સમો છે. જો કે લોકો સાગરની જેમ ગર્જે તોપણ ઈશ્વર તેમને ધમકાવે એટલે તેઓ પર્વત પર પવનથી ઊડી જતા ફોતરાની જેમ અને વંટોળિયા આગળ ધૂળની ઘૂમરીની જેમ પાછા હટી જાય છે. સંયાકાળે તેઓ આતંક ફેલાવે છે, પણ સવાર થતાં તો તેઓ નષ્ટ થઈ જાય છે. અમારા દેશને લૂંટનારાઓની એવી જ દશા થાય છે. કૂશની નદીઓની પેલે પારના પ્રદેશમાં પાંખોનો ફફડાટ સંભળાય છે. ત્યાંથી નાઇલ નદીમાં સરકટની હોડીઓમાં રાજદૂતો આવે છે. હે શીઘ્ર સંદેશકો, તમે પાછા વળો! જેમનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે તેવી કદાવર અને સુંવાળી પ્રજા પાસે, દૂરસુદૂર જેની ધાક છે તેવી પ્રજા પાસે, સમર્થ અને સરસાઈ ભોગવતી પ્રજા પાસે સંદેશો લઈ જાઓ. હે પૃથ્વીના પટ પર વસતા સૌ લોકો, સાંભળો! પર્વતની ટોચે સંકેતરૂપે વજા ફરકાવાય તેની રાહ જોજો! રણશિંગડું વાગે ત્યારે તે સાંભળજો! પ્રભુએ મને કહ્યું, “કાપણીની મોસમમાં હુંફાળી રાત્રિએ ધીરેથી જામતા ઝાકળની જેમ અને ભરબપોરે પડતા બેઠા તાપની જેમ હું મારા નિવાસસ્થાનમાંથી સ્વસ્થપણે જોઈ રહીશ. પણ કાપણી પહેલાં, જ્યારે ફૂલ બેસતાં બંધ થાય છે અને ફૂલની જગ્યાએ દ્રાક્ષા બેસે છે ત્યારે ખેડૂત ધારિયા વડે ફૂટેલા ફણગાને સોરી નાખે છે અને ફેલાતી ડાળીને કાપીને ફેંકી દે છે. તે જ પ્રમાણે તેમના સૈનિકોનાં શબ શિકારી પક્ષીઓ અને હિંસક પ્રાણીઓને ખાવાને પર્વતો પર પડયાં હશે. તેઓ ઉનાળામાં પક્ષીઓનો અને શિયાળામાં પ્રાણીઓનો ખોરાક થઈ પડશે. તે દિવસે જેમનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે એવા દેશની કદાવર અને સુંવાળી પ્રજા, દૂરદૂરના લોકો પર ધાક બેસાડનારી પ્રજા, સમર્થ અને સરસાઈ ભોગવતી પ્રજા સર્વસમર્થ પ્રભુને માટે અર્પણો લઈને આવશે. જ્યાં સર્વસમર્થ પ્રભુને નામે ભજન થાય છે તે સિયોન પર્વત પર તેઓ આવશે. ઇજિપ્ત વિષેનો આ સંદેશ છે: પ્રભુ વેગવાન વાદળ પર સવાર થઈને ઇજિપ્તમાં આવે છે. તેમની સમક્ષ ઇજિપ્તની મૂર્તિઓ ધ્રૂજી ઊઠી છે અને ઇજિપ્તના લોકોના હોશકોશ ઊડી ગયા છે. પ્રભુ કહે છે, “હું ઇજિપ્તમાં આંતરવિગ્રહ ચલાવીશ. ભાઈ ભાઈની સામે, પડોશી પડોશીની સામે, નગર નગરની સામે અને રાજ્ય રાજ્યની સામે લડશે. હું ઇજિપ્તીઓને હતાશ કરી દઈશ અને તેમની યોજનાઓને નિષ્ફળ બનાવી દઈશ. તેઓ મૂર્તિઓની, મૃતાત્માઓની, ભૂવાઓની અને ધંતરમંતર કરનારાઓની સલાહ પૂછશે. હું ઇજિપ્તીઓને જુલમી રાજાના હાથમાં સોંપી દઈશ અને તે તેમના પર નિર્દયપણે શાસન ચલાવશે. હું સર્વસમર્થ પ્રભુ એ બોલ્યો છું. નાઇલ નદીનાં પાણી સુકાઈ જશે અને તેનું તળિયું સૂકુંભઠ થઈ જશે. નદીની નહેરો દુર્ગંધ મારશે અને તેમનાં પાણી ઓસરી જશે; ઇજિપ્તનાં ઝરણાં પણ સુકાઈ જશે અને બરુ તથા પોયણાં કરમાઈ જશે. નાઇલના મુખપ્રદેશમાં કાંઠા પરની લીલોતરી અને તટપ્રદેશમાં આવેલાં ખેતરોનું આવરણ સુકાઈને ઊડી જશે અને કંઈ બાકી રહેશે નહિ. માછીમારો ડૂસકાં ભરશે, ગલ નાખનારાઓ વિલાપ કરશે, અને પાણીમાં જાળ નાખનારાઓ ઝૂરશે. પીંજેલા અળસીરેસાનું કાપડ બનાવનારા હતાશ થઈ જશે, સુતરાઉ કાપડ વણનારા મૂંઝાઈ જશે. વણનારા ઉદાસ થઈ જશે અને કારીગરોમાં હતાશા વ્યાપી જશે. સોઆન નગરના અધિકારીઓ મૂર્ખ છે! ઇજિપ્તના ફેરોના જ્ઞાની સલાહકારોની સલાહ મૂર્ખતાભરેલી છે. પોતે જ્ઞાનીઓ અને પ્રાચીનકાળના રાજાઓના વંશજો છે એવું ફેરો આગળ કહેવાની હિમ્મત તેઓ કેમ કરે છે? હે ઇજિપ્તના રાજા ફેરો, એ જ્ઞાની સલાહકારો કયાં છે? જો હોય તો આવે અને ઇજિપ્ત માટે સર્વસમર્થ પ્રભુની શી યોજના છે તે તને જણાવે. સોઆનના અધિકારીઓ અને નોફના આગેવાનો મૂર્ખ છે. ઇજિપ્તના ઉચ્ચ આગેવાનોએ જ તે દેશને ગેરમાર્ગે દોર્યો છે. પ્રભુએ તેમને મૂંઝવણભરી સલાહ આપવાનો આત્મા આપ્યો છે. તેથી જેમ શરાબી પોતાની જ ઊલટીમાં લથડિયાં ખાય તેમ ઇજિપ્ત તેનાં સર્વ કાર્યોમાં ભૂલથાપ ખાય છે. હવે તો શિર કે પૂચ્છ, તાડની ડાળી કે સરકટ કોઈ પણ ઇજિપ્તને કંઈ મદદ કરી શકે તેમ નથી. એ સમયે ઇજિપ્તના લોકો સ્ત્રી જેવા ડરપોક બની જશે. સર્વસમર્થ પ્રભુએ તેમનો વિનાશ કરવા પોતાનો હાથ ઉગામ્યો છે. તે જોતાં જ તેઓ ભયથી થરથરવા માંડશે. ઇજિપ્ત પર યહૂદિયાની ધાક બેસી જશે અને સેનાધિપતિ પ્રભુએ ઇજિપ્તનું જે ભાવિ નક્કી કર્યું છે તેને લીધે યહૂદિયાના સ્મરણમાત્રથી ઇજિપ્તીઓ થથરી જશે. એ સમયે ઇજિપ્તના પાંચ શહેરોમાં કનાન દેશની ભાષા હિબ્રૂ બોલાશે. ત્યાંના લોકો સર્વસમર્થ પ્રભુને નામે સોગંદ ખાશે. તેમાંનું એક શહેર સૂર્યનગર કહેવાશે. એ સમયે ઇજિપ્તના મધ્ય ભાગમાં પ્રભુને સમર્પિત એવી વેદી હશે અને ઇજિપ્તની સરહદ પર પ્રભુના સ્મરણાર્થે શિલાસ્તંભ સ્થપાશે. તેઓ ઇજિપ્તમાં સર્વસમર્થ પ્રભુનાં સાક્ષી અને સંકેત બની રહેશે. ત્યાંના લોકો જુલમગારોના ત્રાસને લીધે પ્રભુને પોકારશે. તો તે તેમને માટે ઉદ્ધારક અને સંરક્ષક મોકલી તેમનો બચાવ કરશે. પ્રભુ પોતાને ઇજિપ્તના લોકો સમક્ષ પ્રગટ કરશે અને તેઓ તેમનો સ્વીકાર કરીને તેમનું ભજન કરશે અને તેમને ચડાવવા માટે બલિદાનો અને ધાન્યાર્પણો લાવશે. તેઓ પ્રભુને નામે માનતાઓ લેશે અને તેમને પૂરી કરશે. પ્રભુ ઇજિપ્તીઓ પર પ્રહાર કરશે પણ તેમને સાજા કરશે. તેઓ પ્રભુ તરફ પાછા ફરશે અને તે તેમની પ્રાર્થનાઓ સાંભળીને તેમને સાજા કરશે. એ સમયે ઇજિપ્ત અને આશ્શૂર વચ્ચે રાજમાર્ગ થશે. એ બન્‍ને દેશના લોકો એકબીજાના દેશમાં આવજા કરશે અને તેઓ સાથે મળીને પ્રભુની ઉપાસના કરશે. એ દિવસે ઇજિપ્ત અને આશ્શૂર સાથે ત્રીજું ઇઝરાયલ પણ જોડાશે અને આ ત્રણેય દેશો દુનિયા માટે આશિષરૂપ બની રહેશે. સર્વસમર્થ પ્રભુ તેમને આશિષ આપશે અને કહેશે, “હે ઇજિપ્ત, મારા લોક, હે આશ્શૂર, મારા હાથની કૃતિ, અને હે ઇઝરાયલ, મારી સંપત્તિ, હું તમને આશિષ આપું છું.” આશ્શૂરના રાજા સાર્ગોનના આદેશથી તેના સરસેનાપતિએ પલિસ્તીઓના શહેર આશ્દોદ પર આક્રમણ કરી તેને જીતી લીધું. ત્રણ વર્ષ પહેલાં પ્રભુએ આમોઝના પુત્ર યશાયાને કહ્યું હતું, “તારી કમર પરથી તાટ અને તારા પગમાંથી પગરખાં ઉતાર.” એ આજ્ઞાને આધીન થઈને તે ખુલ્લા શરીરે અને ઉઘાડે પગે ફરવા લાગ્યો. આશ્દોદનું પતન થયું ત્યારે પ્રભુએ કહ્યું, “મારો સેવક યશાયા ત્રણ વર્ષ સુધી ખુલ્લા શરીરે અને ઉઘાડે પગે ફર્યો છે. એ તો ઇજિપ્ત તથા કૂશનું જે થવાનું છે તેની નિશાની છે. આશ્શૂરનો રાજા આ બન્‍ને દેશોમાંથી બંદીવાનોને નગ્નાવસ્થામાં લઈ જશે. યુવાનો અને વૃદ્ધોને ઇજિપ્ત શરમાઈ જાય એ રીતે નગ્ન શરીરે અને ઉઘાડે પગે લઈ જવાશે. કૂશ પર આધાર રાખનારાઓ અને ઇજિપ્ત વિષે બડાઈ મારનારાઓ ગભરાઈ જશે અને તેમની આશા નાશ પામશે. એ સમયે પલિસ્તીઓના કાંઠા પ્રદેશના રહેવાસીઓ કહેશે, “આશ્શૂરના રાજાની તાબેદારીમાંથી મુક્ત થવા આપણે જેમના પર આધાર રાખ્યો હતો તેમની કેવી દુર્દશા થઈ છે! તો પછી આપણે કેવી રીતે બચીશું?” સમુદ્ર નજીકના રણપ્રદેશ માટે સંદેશ: દક્ષિણ પ્રદેશમાંથી થઈને પસાર થતા ઝંઝાવાતની જેમ રણમાંથી, ભયાનક પ્રદેશમાંથી કોઈ આક્રમણ કરનાર આવી રહ્યો છે. મેં સંદર્શનમાં ઘાતકી બનાવોનાં દશ્ય જોયાં છે. દગાબાજ દગો કરે છે, લૂંટારો લૂંટે છે. હે એલામના સૈન્ય, આક્રમણ કર! હે માદીઓના લશ્કર, ઘેરો ઘાલ! બેબિલોને નંખાવેલા તમામ નિસાસાનો ઈશ્વર અંત લાવશે. એ દર્શન જોઈને મારી કમર કળતરથી તૂટે છે. પ્રસૂતાની વેદના જેવું કષ્ટ મને ઘેરી વળ્યું છે. મારું મન આઘાત પામ્યું છે અને હું ભયથી ધ્રૂજી ઊઠયો છું. મેં સંયાના સારા સમયની અપેક્ષા રાખેલી, પણ એ ય મારે માટે ભયંકર થઈ પડી છે. દર્શનમાં મિજબાની તૈયાર કરવામાં આવી છે. પાથરણાં બિછાવવામાં આવ્યાં છે. તેઓ ખાઈપી રહ્યા છે. એવામાં અચાનક આદેશ અપાય છે, “હે લશ્કરી અમલદારો, તમારી ઢાલોને તેલ લગાવીને તૈયાર કરો!” ત્યાર પછી પ્રભુએ મને કહ્યું, “જા, ચોકીદારને ઊભો રાખ. તે જે કંઈ જુએ તેનો અહેવાલ આપે. જો તે બબ્બે ઘોડે જોડેલા રથો અને ગધેડાં તથા ઊંટો પર સવારોને આવતા જુએ તો તેણે ખૂબ ધ્યનથી નજર રાખવી.” ચોકીદાર સિંહની જેમ ત્રાડ પાડી બોલ્યો, “હે પ્રભુ, દિનપ્રતિદિન હું મારા ચોકીના બુરજ પર ઊભો છું અને આખી રાત હું તારી ચોકી પર ખડો છું. જુઓ, એક માણસ બે ઘોડે જોડેલા રથમાં પૂરઝડપે આવી રહ્યો છે. તે જવાબ આપે છે: ‘બેબિલોન પડયું છે. તેનું પતન થયું છે. તેમની સઘળી મૂર્તિઓ ભાંગીને જમીનદોસ્ત થઈ ગઈ છે.” હે મારા ઇઝરાયલી લોકો, ઘઉંને ખળામાં ઝૂડવામાં આવે તેમ તમને ઝૂડવામાં આવ્યા હતા. પણ હવે હું તમને ઇઝરાયલના ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ તરફથી મળેલ શુભસમાચાર પ્રગટ કરું છું. દુમાહ વિષેનો આ સંદેશ છે: સેઈરમાંથી કોઈ મને પોકારે છે, “હે ચોકીદાર, રાત કેટલી પસાર થઈ છે? તે ક્યારે પૂરી થશે?” મેં ચોકીદારે જવાબ આપ્યો, “સવાર આવે છે. રાત પણ ફરીથી આવશે. જો તમારે ફરીથી પૂછવું હોય તો પાછા આવીને પૂછજો.” અરબસ્તાન વિરુદ્ધ આ સંદેશ છે: “હે અરબસ્તાનની ઝાડીઝાંખરાંમાં પડાવ નાખનારા દદાનીઓના કાફલા, તમે તરસ્યાને પાણી પાઓ. હે તેમાંના લોકો, તમે નિરાશ્રિતોને ખોરાક આપો. લોકો ક્તલ કરનાર તલવારથી, વીંધી નાખનાર તીરથી અને યુદ્ધની ભીંસને કારણે ભાગી આવ્યા છે.” ત્યાર પછી પ્રભુએ મને કહ્યું, “ભાડૂતી ચાકર ગણતરી કરે એવા ફક્ત એક જ વર્ષમાં કેદારના સઘળા વૈભવનો અંત આવશે. કેદારના ધર્નુધારીઓ અને યોદ્ધાઓમાંથી બહુ થોડા બચશે.” હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ એ બોલ્યો છું. દર્શનની ખીણ વિષેનો આ સંદેશ છે: એવું તો શું બન્યું છે કે તમે બધા ધાબા પર ચડી ગયા છો? આખા શહેરમાં આનંદોત્સવને લીધે ઉત્તેજના અને શોરબકોર વ્યાપી ગયાં છે! તમારા માર્યા ગયેલા માણસો કંઈ રણમેદાનમાં લડતાં લડતાં મોતને ભેટયા નથી. તમારા સર્વ સેનાપતિઓ એક સાથે નાસી છૂટયા; પણ ધનુષ્ય ચલાવ્યા વિના જ તેમને પકડી લેવામાં આવ્યા. તમારામાંથી જેઓ પકડાઈ ગયા તેઓ સૌને એક સાથે બાંધીને કેદ કરી લઈ જવામાં આવ્યા. તેથી મેં કહ્યું, “તમે સૌ મારાથી દૂર જાઓ. મને આક્રંદ કરવા દો. મારા લોકની પાયમાલીને કારણે મને આશ્વાસન આપવાની તસ્દી લેશો નહિ.” દર્શનની ખીણમાં આ દિવસ તો ઉત્પાત, પાયમાલી અને અંધાધૂંધીનો દિવસ છે, અને સર્વસમર્થ પરમેશ્વરે તે મોકલ્યો છે. આપણા નગરની દીવાલો તોડી પાડવામાં આવી છે અને મદદ માટેના પોકારોના પડઘા પર્વતોમાં પડે છે. એલામ દેશના લશ્કરે બાણનો ભાથો ઉપાડયો છે અને તેમના સારથિઓએ રથે ઘોડા જોડયા છે. કીરના લશ્કરે ઢાલો ધારણ કરી છે. યહૂદિયાની ફળદ્રુપ ખીણ રથોથી ભરાઈ ગઈ છે. યરુશાલેમના દરવાજાઓ આગળ ઘોડેસ્વાર સૈનિકોને મૂકવામાં આવ્યા છે. યહૂદિયા રક્ષણવિહોણું બની ગયું છે. એ બન્યું ત્યારે તમે ‘વનગૃહ’ મહેલના શસ્ત્રાગાર તરફ નજર કરી. યરુશાલેમની સંરક્ષણ દીવાલમાં પડેલાં ગાબડાંનું તમે અવલોકન કર્યું. નીચાણના જળકુંડમાં તમે પાણીનો સંગ્રહ કર્યો. તમે યરુશાલેમનાં ઘરોની મોજણી કરી અને તેમાંથી કેટલાંક ઘર નગરની દીવાલમાં સમારકામ માટે તોડી પાડયાં. વળી, પ્રાચીન કુંડનું પાણી વાળી લાવી તેનો સંગ્રહ કરવા માટે શહેરની અંદર જળકુંડ બનાવ્યો. પણ આ બધાના સરજનહાર તરફ તમે મીટ માંડી નહિ. તેમજ અગાઉથી તેની રચના કરનાર ઈશ્વર તરફ લક્ષ આપ્યું નહિ. તે દિવસે સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે તમને રડવા તથા વિલાપ કરવા અને માથું મુંડાવવા તથા તાટ પહેરવા બોલાવ્યા. પણ તમે તો તેને બદલે આનંદોત્સવ કર્યો છે. તમે ખાવાને માટે ઢોર અને ઘેટાં કાપ્યાં. તમે માંસ ખાધું અને દારૂ પીધો. તમે કહ્યું, “આપણે ખાઈએ અને પીઈએ! કારણ, આવતી કાલે તો આપણે મરી જવાના છીએ!” સર્વસમર્થ પ્રભુએ પોતે મને કહ્યું છે, “આ લોકોના જીવતાં તો એમની દુષ્ટતાનું પ્રાયશ્ર્વિત થઈ શકે તેમ નથી. હું સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.” સર્વસમર્થ પ્રભુએ મને કહ્યું, “રાજમહેલના મુખ્ય કારભારી શેબ્ના પાસે જઈને તેને કહે, “તારું અહીં શું છે? પોતાને માટે અહીં પર્વત પર ખડકમાં કબર ખોદાવવાનો તને શો અધિકાર છે? જો, તે પોતાને માટે કબર ખોદાવે છે અને ખડકમાં પોતાને માટે આરામસ્થાન કોતરાવે છે. તું ગમે તેટલો જબરો કેમ ન હોય પણ પ્રભુ તને પોતાની પકડમાં લેશે અને જોરથી ફેંકી દેશે. તે તને દડાની જેમ લપેટી લપેટીને વિશાળ દેશમાં ફેંકી દેશે. ત્યાં તું તારા ભવ્ય રથોની પડખે જ મરી જઈશ અને તું તારા માલિકના કુટુંબને કલંક લગાડીશ. પ્રભુ તને પદભ્રષ્ટ કરશે અને તને તારી પદવી પરથી હડસેલી મૂકશે.” પ્રભુએ શેબ્નાને કહ્યું, “એવું બનશે તે દિવસે હું મારા સેવક, એટલે હિલકિયાના પુત્ર એલ્યાકીમને બોલાવીશ. હું તેને તારો ઝભ્ભો અને કમરપટ્ટો પહેરાવીશ તથા તારો બધો જ કારોબાર હું તેને સોંપીશ. તે યરુશાલેમ અને યહૂદિયાના લોકો પ્રત્યે પિતાની જેમ વર્તશે. હું તેને દાવિદવંશી રાજકુટુંબના કારભારની પૂરી જવાબદારી સોંપી દઈશ. તેની પાસે તેના કારભારની ચાવી રહેશે; તે ઉઘાડશે તો કોઈ તેને બંધ કરી શકશે નહિ અને તે બંધ કરશે તો કોઈ ઉઘાડી શકશે નહિ. હું તેને ખીલાની માફક મજબૂત સ્થાનમાં જડી દઈશ અને તે તેના પિતાના સમસ્ત કુટુંબને માટે ગૌરવરૂપ બનશે. પણ તેનાં કુટુંબીજનો અને આશ્રિતો ખીલે લટકાવેલાં પ્યાલાં અને પવાલીઓથી માંડીને નાનાં મોટાં સર્વ વાસણોની જેમ તેને માટે બોજારૂપ થઈ પડશે.” સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે કે, “એ સમયે મજબૂત સ્થાનમાં જડેલો ખીલો નીકળી પડશે અને તેના પર લટકાવેલો બધો ભાર નીચે પડીને નષ્ટ થઈ જશે.” આ તો પ્રભુનાં વચન છે. આ તૂર વિષેનો સંદેશ છે. હે તાર્શિશના સાગરખેડુ ખલાસીઓ, તૂર નાશ પામ્યું છે. નથી રહ્યું કોઈ ઘર કે નથી રહ્યું કોઈ બંદર! સાયપ્રસથી પાછા ફરતાં તમને એના સમાચાર મળશે. હે સાગરખેડુઓથી સમૃદ્ધ થયેલા ટાપુઓના રહેવાસીઓ અને સિદોનના વેપારીઓ, તમે અવાકા બની જાઓ! સમુદ્રમાર્ગે શીહોરનું અનાજ આવતું અને ઇજિપ્તના નાઇલના પ્રદેશમાં થતા મબલક પાકમાંથી તમે નફો મેળવતા. તૂર તો દેશવિદેશનું વ્યાપારી કેન્દ્ર બની ગયું હતું! હે સાગરના ગઢ સમી સિદોનનગરી, તું લજ્જિત થા, કારણ, સાગર તારો નકાર કરતાં કહે છે, “મને નથી પ્રસવવેદના થઈ કે નથી મેં કોઈને જન્મ આપ્યો. મેં પુત્ર કે પુત્રીઓનો ય ઉછેર કર્યો નથી.” તૂરના પતનના સમાચાર જાણીને ઇજિપ્તીઓ શોકમાં ગરકાવ થઈ જશે. હે ટાપુના રહેવાસીઓ, વિલાપ કરો. સમુદ્ર પાર કરીને તાર્શિશ નાસી જવા પ્રયાસ કરો. શું આ એ જ વિલાસી નગરી તૂર છે કે જે પ્રાચીન સમયમાં સ્થપાઈ હતી અને જેના રહેવાસીઓ દૂરદૂરના દેશોમાં જઈને વસ્યા હતા. બીજાઓને મુગટથી નવાજતી નગરી તૂર, જેના વેપારીઓ સરદારો સમા અને જેના સોદાગરો પૃથ્વીમાં માનવંતા હતા તેના પર આ બધી આફતનું નિર્માણ કોણે કર્યું? તેના બધા વૈભવનો ગર્વ ઉતારવા અને દુનિયામાં માનવંતા મનાતા તેના વેપારીઓને હલકા પાડવા સર્વસમર્થ પ્રભુએ એવું નિર્માણ કર્યું છે. હે તાર્શિશના લોકો, નાઇલના મુખપ્રદેશની જેમ જમીનમાં ખેતી કરવા માંડો. કારણ, તમારે માટે હવે સમુદ્રનું કોઈ બારું રહ્યું નથી. સમુદ્ર પર પ્રભુએ પોતાનો હાથ ઉગામ્યો છે અને રાજ્યોને ઉથલાવી પાડયાં છે. પ્રભુએ કનાનના કિલ્લાઓનો નાશ નક્કી કર્યો છે. હે કુંવારી કન્યા જેવી સિદોન નગરી, તારા સુખનો અંત આવ્યો છે અને તારા લોક પર જુલમ ગુજારવામાં આવે છે. તેઓ સાયપ્રસ નાસી જશે. છતાં તેમને ત્યાંયે આરામ મળવાનો નથી. તૂરને વનવગડાનાં પ્રાણીઓનું રહેઠાણ બનાવી દેનાર તો આશ્શૂરીઓ નહિ, પણ બેબિલોનીઓ હતા. ઘેરા માટે માટીના ટેકરા બનાવી તૂરની કિલ્લેબંદીને તોડી નાખનાર અને શહેરને ખંડિયેર બનાવી દેનાર તો બેબિલોનીઓ હતા. હે તાર્શિશના વહાણવટીઓ, તમે વિલાપ કરો. તમારા ગઢ સમા નગરનો નાશ થયો છે. એ સમયે એક રાજાના રાજ્યકાળ સુધી એટલે સિત્તેર વર્ષ સુધી તૂર ભૂલાઈ જશે. ત્યાર પછી તૂરની હાલત પેલા ગીતમાંની વેશ્યા જેવી થશે: “હે વિસારે પડેલી વેશ્યા, વીણા લઈને શહેરમાં ફરી વળ, બરાબર વગાડ અને ગીતોની રમઝટ ચલાવ; જેથી લોકો તને ફરી યાદ કરે.” સિત્તેર વર્ષ પછી પ્રભુ તૂરને તેનો વેપાર પાછો આપશે. વેશ્યા તેને ભાડે રાખનારની પાસે પાછી ફરે તેમ તે પૃથ્વીના પટ પરનાં બધાં રાજ્યો સાથે વેપાર કરશે. તેના વેપારનો નફો અને તેની કમાણી પ્રભુને અર્પણ થશે. તેનો સંગ્રહ કરવામાં આવશે નહિ, પણ તે પૈસામાંથી પ્રભુની સેવા કરનારા ભરીપૂરીને ખાશે અને ઉત્તમ વસ્ત્રો પહેરશે. જુઓ, પ્રભુ પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ બનાવે છે. તે તેને ઉથલાવીને તેના લોકોને વેરવિખેર કરી નાખે છે. જેવી યજ્ઞકારની તેવી જ લોકોની, જેવી ગુલામની તેવી જ માલિકની, જેવી દાસીની તેવી જ શેઠાણીની, જેવી વેચનારની તેવી જ ખરીદનારની, જેવી લેણદારની તેવી જ દેણદારની, જેવી શ્રીમંતની તેવી જ ગરીબની, સૌની એ જ હાલત થશે. પૃથ્વી તદ્દન ઉજ્જડ અને સફાચટ થઈ જશે. પ્રભુ પોતે એ બોલ્યા છે અને તે જ પ્રમાણે થશે. પૃથ્વી સુકાઈ જાય છે અને ચીમળાઈ જાય છે; આખી દુનિયા ઝૂરીઝૂરીને નિર્બળ થઈ જાય છે. પૃથ્વીની સાથે સાથે આકાશ પણ ક્ષીણ થઈ જાય છે. લોકોએ ઈશ્વરના નિયમનો ભંગ કરીને, તેમના વિધિઓનો અનાદર કરીને અને તેમના કાયમી કરાર વિરુદ્ધ બંડ કરીને પૃથ્વીને ભ્રષ્ટ કરી છે. તેથી ઈશ્વરે આપેલો શાપ પૃથ્વીને ભરખી જાય છે. આમ, પૃથ્વીના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ જાય છે. બહુ થોડા લોકો જીવતા રહે છે. નવો દ્રાક્ષાસવ સુકાઈ જાય છે અને દ્રાક્ષવેલો ચીમળાઈ જાય છે. તેથી મજા માણનારાઓ નિસાસા નાખે છે. ખંજરીનો રણકાર અને વીણાનો ઝણકાર બંધ પડયા છે. આનંદપ્રમોદ કરનારાઓનો ઘોંઘાટ બંધ થઈ ગયો છે. હવે કોઈ ગાતાં ગાતાં દ્રાક્ષાસવ પીશે નહિ; શરાબીઓ માટે તેનો સ્વાદ કડવો થયો છે. નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે અને લોકો સલામતીને માટે બંધ બારણે ઘરમાં ભરાઈ રહે છે. દ્રાક્ષાસવને અભાવે લોકો રસ્તાઓ પર બૂમો પાડે છે. સઘળો ઉલ્લાસ ઉદાસીનતામાં પલટાઈ ગયો છે; પૃથ્વી પરથી આનંદનો લોપ થયો છે. નગર ખંડિયેર બન્યું છે અને તેના દરવાજાઓના ચૂરેચૂરા થઈ ગયા છે. આખી દુનિયાની બધી પ્રજાઓની હાલત ઓલિવવૃક્ષ પરથી તેનાં ફળ ઝૂડી લેવાય અને દ્રાક્ષની લણણીની મોસમમાં દ્રાક્ષો ઉતારી લીધા પછી બાકીની દ્રાક્ષો વીણી લેવામાં આવે તેના જેવી થશે. બચી ગયેલાઓ આનંદથી પોકારશે. પશ્ર્વિમના લોકો પ્રભુના પ્રતાપની ઘોષણા કરશે, અને પૂર્વના લોકો પ્રભુને મહિમા આપશે. દરિયાના ટાપુઓના રહેવાસીઓ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નામના ગુણગાન ગાશે. દુનિયાના દૂરદૂરના દેશોમાંથી આપણે ગીતો સાંભળીશું. “ન્યાયી ઈશ્વરનો મહિમા હો!” પણ મેં કહ્યું કે, “મારે માટે કોઈ આશા નથી. હું ક્ષીણ થતો જઉં છું!” દગાખોર દગો કરે છે, તેઓ કપટથી દગો કર્યે જાય છે. હે પૃથ્વીના રહેવાસીઓ, આતંક, ખાડો અને ફાંદો તમારી રાહ જુએ છે. જે કોઈ ભયના ભણકારાથી ભાગી છૂટશે તે ખાડામાં પડશે, અને જે કોઈ ખાડામાંથી બહાર નીકળી જશે તે ફાંદામાં ફસાઈ પડશે. આકાશમાંથી ધોધમાર વરસાદ તૂટી પડશે અને ભૂમિના પાયા હાલી ઊઠશે. ધરતી ફાટી જશે, તેમાં તિરાડો પડશે અને તેના ભૂક્કા બોલી જશે. પૃથ્વી દારૂડિયાની જેમ લથડિયાં ખાશે અને ઝૂંપડીની પેઠે ઝોલાં ખાશે. પોતાના પાપના ભારને કારણે પૃથ્વીનું પતન થશે અને ફરી કદી ઊઠવા પામશે નહિ. એ સમયે પ્રભુ આકાશી સત્તાધારીઓને અને પૃથ્વીના રાજાઓને શિક્ષા કરશે. ઈશ્વર તેમને બંદીવાનોની જેમ ખાડામાં પૂરી દેશે. તેમને સજા કરવાનો સમય આવે ત્યાં સુધી તેમને બંદીવાન રાખવામાં આવશે. ચંદ્રનો પ્રકાશ ઝાંખો પડશે અને સૂર્ય પ્રકાશશે નહિ. કારણ, સર્વસમર્થ પ્રભુ રાજા બનશે. તે યરુશાલેમમાં સિયોન પર્વત પરથી રાજ કરશે અને લોકોના આગેવાનો તેમનું ગૌરવ જોશે. હે પ્રભુ, તમે મારા ઈશ્વર છો; હું તમને માન આપીશ અને તમારા નામની સ્તુતિ કરીશ. તમે અદ્‍ભુત કાર્યો કર્યાં છે અને તમારી પ્રાચીન યોજનાઓ તમે વિશ્વાસુપણે સાચેસાચ પાર પાડી છે. તમે નગરને પથ્થરોનો ઢગલો બનાવી દીધું છે અને કિલ્લેબંધીવાળા નગરને ખંડિયેર કરી દીધું છે. અમારા દુશ્મનોએ બાંધેલા ગઢ હવે નગર તરીકે રહ્યા નથી; તે ફરી ક્યારેય બંધાનાર નથી. સમર્થ પ્રજાઓ તમારી સ્તુતિ કરશે, અને ઘાતકી પ્રજાનાં શહેરોના લોકો તમારો ડર રાખશે. તમે ગરીબોના આશ્રય, દીનદુખિયાના આધાર, તોફાન સામે ઓથો અને તડકામાં છાયા સમા છો. શિયાળાના તોફાનની જેમ અને સુકા પ્રદેશમાંથી વાતા બળબળતા વાયુની જેમ ઘાતકી લોકો અચાનક આક્રમણ કરે છે. પણ હે પ્રભુ, જેમ વાદળની છાયાથી સખત તાપની અસર ઘટી જાય છે તેમ તમે અમારા શત્રુઓને તાબે કર્યા છે. તમે જુલમીઓનો વિજયનાદ શાંત પાડી દીધો છે. સર્વસમર્થ પ્રભુ દુનિયાની બધી પ્રજાઓ માટે સિયોન પર્વત પર મિજબાની તૈયાર કરશે. તેમાં સર્વશ્રેષ્ઠ વાનગીઓ, અત્યુત્તમ માંસાહાર અને સર્વોત્તમ દ્રાક્ષાસવ પીરસવામાં આવશે. બધી પ્રજા પર ફરી વળેલા શોકાવરણને અને વીંટાઈ વળેલા કફનને ત્યાં દૂર કરવામાં આવશે. સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર મૃત્યુનો કાયમને માટે સદંતર નાશ કરશે. તે એકેએક આંખમાંથી આંસુ લૂછી નાખશે અને આખી દુનિયામાંથી પોતાના લોકનું મહેણું દૂર કરશે. આ તો પ્રભુનાં પોતાનાં વચન છે! એ સમયે સૌ કોઈ કહેશે, “જેમને વિષે આપણે આશા સેવેલી કે તે આપણો ઉદ્ધાર કરશે એ આ જ આપણા ઈશ્વર છે. આપણે તેમના પર આશા સેવેલી તે આ જ પ્રભુ છે. તેમણે આપણો ઉદ્ધાર કર્યો છે માટે આપણે આનંદોત્સવ કરીએ.” પ્રભુ પોતાના હાથ પ્રસારી સિયોન પર્વતનું રક્ષણ કરશે. પણ મોઆબના લોકોને તો તે જેમ ઘાસ ઉકરડામાં ખૂંદાય છે તેમ ખૂંદશે. જેમ તરવૈયા પોતાના હાથ ફેલાવે છે તેમ મોઆબના લોકો પણ પોતાના હાથ પ્રસારી બચવા પ્રયાસ કરશે. તેમના હાથની ચપળતા હોવા છતાં ઈશ્વર તેમનો ઘમંડ ઉતારી પાડશે. તે મોઆબના કિલ્લાઓની ઊંચી ઊંચી દીવાલો તોડી પાડશે અને તેમને જમીનદોસ્ત કરી ધૂળમાં મેળવી દેશે. તે દિવસે યહૂદિયાના પ્રદેશમાં લોકો નીચેનું ગીત ગાશે: “અમારું શહેર મજબૂત છે! ઈશ્વરે તેના કોટ અને કિલ્લા અમારું રક્ષણ કરવા બાંયા છે. શહેરના દરવાજાઓ ખોલો, અને તેમાં નિષ્ઠાવાન પ્રજા, સદાચારી પ્રજા પ્રવેશ કરે. હે પ્રભુ, દઢ મનથી તમારા પર વિશ્વાસ રાખનારને તમે સંપૂર્ણ શાંતિમાં રાખશો. યાહવે પર સદા ભરોસો રાખો; કારણ, તે હંમેશા આપણું રક્ષણ કરનાર અચળ ખડક છે. તેમણે આલીશાન મકાનોમાં રહેનારાઓને નીચે પાડયા છે. તે તેમના ભવ્ય નગરને પાડી નાખે છે અને તેને ભોંયભેગું કરી ધૂળમાં મેળવી દે છે. તે નગર પગથી ખૂંદાય છે; તે પીડિતો અને કંગાલોના પગ નીચે ખૂંદાય છે. હે પ્રભુ, તમે સદાચારીઓનો માર્ગ સીધો કરો છો અને તેમનો ચાલવાનો રસ્તો સપાટ કરો છો. અમે તમારા નિયમો પ્રમાણે વર્તીને તમારી પ્રતીક્ષા કરીએ છીએ. તમારું નામ અને તમારું સંસ્મરણ એ જ અમારા જીવનની ઝંખના છે. રાત્રે હું મારા પૂરા દયથી તમારી ઝંખના કરું છું અને મારો અંતરાત્મા તમારી આતુરતાથી ઉત્કંઠા રાખે છે. પૃથ્વી અને તેના લોકો વિષેના તમારા ન્યાયચુકાદાઓ પરથી સાચું શું છે તે તેઓ શીખશે. તમે દુષ્ટો પર દયા રાખો છો, છતાં તેઓ કદી સચ્ચાઈથી વર્તવાનું શીખ્યા નથી. અહીં પવિત્ર દેશમાં પણ તેઓ હજી દુષ્ટતા આચરે છે અને પ્રભુના પ્રતાપને લક્ષમાં લેતા નથી. તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ. હે પ્રભુ, તમે જ અમારું કલ્યાણ કરો છો; અમારી સર્વ સફળતા તમારા કાર્યનું પરિણામ છે. હે યાહવે, અમારા ઈશ્વર, અમારા પર બીજાઓએ રાજ કર્યું છે. પણ અમે તો માત્ર તમારા જ નામનું સન્માન કરીએ છીએ. હવે તો તેઓ મરી પરવાર્યા છે અને ફરી કદી જીવતા થવાના નથી. તેમના ગયેલા જીવ પાછા આવતા નથી; કારણ, તમે તેમને શિક્ષા કરી છે; તેમનો નાશ કર્યો છે. તમે તેમનું સ્મરણ માત્ર નાબૂદ કર્યું છે. હે પ્રભુ, તમે અમારા દેશમાં પ્રજાની વૃદ્ધિ કરી છે; તમે દેશની સરહદો વિસ્તારી છે, અને એમ તમે તમારો મહિમા પ્રગટ કર્યો છે. હે પ્રભુ, તમારા લોક સંકટને સમયે તમારી ગમ ફર્યા છે. તમે તેમને શિક્ષા કરી ત્યારે તેમણે પોતાના દુ:ખમાં તમને પ્રાર્થના ગુજારી. હે પ્રભુ, જેમ ગર્ભવતી સ્ત્રી પ્રસવવેદનાથી કષ્ટાઈને બૂમો પાડે છે, તેમ અમે પણ તમારી આગળ પોકારનારા થયા છીએ. અમે ગર્ભ ધર્યો હતો, અમે કષ્ટાતા હતા પણ અમે કોઈને જન્મ આપ્યો નથી. અમે અમારા દેશને માટે વિજય મેળવ્યો નથી, તેમ જ દુનિયાના રહેવાસીઓને હરાવી શક્યા નથી. અમારાં મરેલાંઓ સજીવન થશે, તેમનાં શબ પાછાં બેઠાં થશે, કબરમાં સૂતેલાં જાગી ઊઠશે અને આનંદનાં ગીત ગાશે. જેમ સવારનું ઝાકળ પૃથ્વીને તાજગી આપે છે તેમ પ્રભુ મરેલાંઓને સજીવન કરશે. હે મારા લોક, તમારા ઘરમાં પેસી જઈ તેનાં બારણાં બંધ કરી દો. ઈશ્વરનો કોપ પૂરો થાય ત્યાં સુધી તેમાં સંતાઈ રહો. પૃથ્વીના લોકને તેમના પાપની સજા કરવાને પ્રભુ તેમના આકાશી નિવાસમાંથી આવશે. પૃથ્વી પર થયેલી છૂપી હત્યાઓ પ્રગટ કરાશે અને હવે પછી પૃથ્વી મારી નંખાયેલાઓને સંતાડશે નહિ. તે દિવસે પ્રભુ પોતાની તીક્ષ્ણ, મોટી અને મજબૂત તરવારથી સરકણા અને ગૂંચળું વળી જતા સાપ લિવયાથાનને સજા કરશે અને સમુદ્રમાં રહેતા રાક્ષસી અજગરનો સંહાર કરશે. એ સમયે પ્રભુ પોતાની ફળવંત દ્રાક્ષવાડી સંબંધી ગીત ગાવાનું જણાવતાં કહેશે, “હું પ્રભુ એની રક્ષા કરું છું અને તેને સતત સીંચું છું. કોઈ તેમાં ઉપદ્રવ ન કરે તે માટે હું તેની રાતદિવસ ચોકી કરું છું. મારો તેના પરનો રોષ શમી ગયો છે. હવે જો તેમાં મારા લોકના દુશ્મનરૂપી કાંટાઝાંખરાં ઊગી નીકળે તો તેમની સામે ઝઝૂમીને હું તેમને એકત્ર કરી એક્સાથે બાળી નાખું. પણ જો તેઓ મારું શરણું સ્વીકારે તો તેમણે મારી સાથે સમાધાન કરવું રહ્યું; હા, તેમણે સમાધાન કરવું જ પડે.” તે દિવસે યાકોબના વંશજો, ઇઝરાયલીઓ વૃક્ષની માફક મૂળ નાખશે. તેમને ફૂલ તથા કળીઓ ખીલશે અને તેમનાં ફળથી પૃથ્વી ભરપૂર થશે. પ્રભુએ ઇઝરાયલને તેના દુશ્મનોના જેવો માર માર્યો નથી અને તેમના દુશ્મનો જેવો તેમનો સંહાર કર્યો નથી. ઈશ્વરે પોતાના લોકને દેશવટે મોકલી દઈને તેમને શિક્ષા કરીને અને તેમને પૂર્વના પવનના સપાટે કાઢી મૂક્યા છે. તેથી આ જ રીતે યાકોબના અપરાધનું પ્રાયશ્ર્વિત થશે અને તેમના પાપનિવારણનું આવું પરિણામ આવશે: ઇઝરાયલ બધી વેદીઓ તોડી પાડશે અને તેમના પથ્થરો જાણે ચાકના પથ્થરો હોય તેવો તેમનો બારીક ભૂક્કો કરી નાખશે. અશેરાની મૂર્તિઓ અને ધૂપવેદીઓમાંથી એક કહેતાં એકે ય ઊભી રહેવા દેવાશે નહિ. કિલ્લાવાળું શહેર ઉજ્જડ બન્યું છે. તે તજાયેલા વસવાટ સમું અને નિર્જન રણ જેવું બન્યું છે. ત્યાં વાછરડાઓ ચરે છે અને આરામ કરે છે. તેઓ ડાળીઓ પરનાં બધાં પાંદડાં તોડી ખાય છે. ડાળીઓ સુકાઈ જતાં તેમને ભાગી નાખવામાં આવી છે. સ્ત્રીઓ તેમને એકઠી કરીને બળતણને માટે વાપરે છે. સાચે જ આ લોકો કશું સમજતા નથી. તેથી તેમના સર્જનહાર ઈશ્વર તેમના પર દયા કે સહાનુભૂતિ દાખવશે નહિ. તે દિવસે, જેમ ઘઉં ઉપણીને સાફ કરવામાં આવે છે તેમ પ્રભુ યુફ્રેટિસ નદીથી તે ઇજિપ્તની સરહદ સુધી એક પછી એક બધા ઇઝરાયલીઓને એકત્ર કરશે. તે દિવસે આશ્શૂરમાં સપડાયેલા અને ઇજિપ્તમાં દેશવટો પામેલા બધા ઇઝરાયલીઓને પાછા બોલાવવા રણશિંગડું વગાડવામાં આવશે. તેઓ પાછા આવશે અને યરુશાલેમમાં પવિત્ર પર્વત પર પ્રભુનું ભજન કરશે. એફ્રાઈમના ગૌરવી મુગટરૂપ છાકટા નેતાઓની કેવી દુર્દશા થશે! દારૂ પીને ચકચૂર બનેલા લોકની ભવ્ય શોભા સમી રસાળ ખીણને મથાળે આવેલા ફૂલરૂપી સમરૂન નગરનીય કેવી દુર્દશા થશે! પ્રભુની પાસે એક જબરો અને જોરાવર વીરપુરુષ આક્રમણ કરવા તૈયાર છે. તે કરાના તોફાનની જેમ, વિનાશકારી વંટોળની જેમ, ધોધમાર વરસાદની જેમ અને ધસમસતાં ઊભરાતાં પૂરની જેમ તેને જોરથી જમીન પર પછાડશે. એફ્રાઈમના છાકટાઓના ગૌરવરૂપ મુગટ પગ નીચે ખૂંદાશે. અંજીર ઉતારવાની મોસમ પહેલાં પાકેલાં અંજીરને જોતાં જ જેમ કોઈ તોડીને ખાઈ જાય તેમ રસાળ ખીણને મથાળે આવેલા એમની ભવ્ય શોભા સમા ફૂલરૂપી નગરની દશા થશે. તે સમયે સર્વસમર્થ પ્રભુ ઇઝરાયલના બચી ગયેલાઓ માટે મહિમાવંત મુગટ અને સુંદર ફૂલોનો તાજ બનશે. તે ન્યાયાધીશોમાં પ્રામાણિકપણે ન્યાય કરવાની ભાવના પેદા કરશે અને નગરના દરવાજે હુમલો પાછો હઠાવનારાઓ માટે શક્તિનો સ્ત્રોત બની રહેશે. દ્રાક્ષાસવ પીને લથડિયાં ખાનારા અને શરાબ પીને ગોથાં ખાનારા આ લોકો પણ છે. સંદેશવાહકો અને યજ્ઞકારો દારૂમાં ચકચૂર થઈને લથડિયાં ખાય છે અને શરાબ પીને ગોથાં ખાય છે. સંદેશવાહકો સંદર્શન સમજી ના શકે તેટલા ચકચૂર છે અને યજ્ઞકારો ન્યાય કરી ન શકે તેટલા પીધેલા છે. તેમની મેજો ગંદી ઊલટીથી તરબોળ છે અને ક્યાંયે સ્વચ્છ જગ્યા રહેવા પામી નથી. તેઓ મારે વિષે ફરિયાદ કરતાં કહે છે, “આ કોને શિક્ષણ આપી રહ્યો છે? કોને તેના સંદેશાની જરૂર છે? નાનાં ભૂલકાં, હજી હમણાં જ ધાવણ મૂકાવ્યું હોય તેવાં બાળકોને માટે તે કદાચ યોગ્ય ગણાય. તે આપણને અક્ષરે અક્ષર, લીટીએ લીટી અને પાઠ પર પાઠ ભણાવવા માગે છે.” તેથી જો તમે મારું નહિ સાંભળો તો ઈશ્વર અન્ય ભાષા બોલનાર પરદેશીઓ મારફતે તમને પાઠ ભણાવશે. ઈશ્વર તો તમને કહે છે કે, “આ વિશ્રામસ્થાન છે. હે થાકેલાઓ, તેમાં આવીને આરામ કરો.” પણ તમે તેમનું ય સાંભળવા ઈન્કાર કરો છો. એટલા જ માટે ઈશ્વર તમને અક્ષરે અક્ષર, લીટીએ લીટી અને પાઠ પર પાઠ શીખવશે. તે વખતે તમે ડગલે ને પગલે ઠોકર ખાશો, ઘાયલ થશો, ફસાઈ જશો અને પકડાઈ જશો. તેથી આ લોક પર યરુશાલેમમાં રાજ કરનાર ગર્વિષ્ઠો, આગેવાનો, તમે પ્રભુનો સંદેશ સાંભળો. તમે બડાઈ મારો છો કે અમે તો મરણની સાથે કરાર કર્યો છે અને મૃત્યુલોક શેઓલ સાથે સંધિ કરી છે. વિનાશનો ચાબુક વીંઝાશે ત્યારે તે અમને અડશે નહિ. કારણ, અમે જુઠનો આશ્રય લીધો છે અને અસત્યને અમારો ઓથો બનાવ્યો છે. તેથી સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે, “હું સિયોનમાં નક્કર પાયો નાખું છું અને તેમાં ચક્સી જોયેલો અને મૂલ્યવાન એવો મુખ્ય પથ્થર મૂકું છું. તેના પર વિશ્વાસ કરનાર કદી હતાશ થશે નહિ. હું ન્યાયનો માપવાની દોરી તરીકે અને પ્રામાણિક્તાનો ઓળંબા તરીકે ઉપયોગ કરીશ.” તમારા આશ્રય જૂઠને કરાનું તોફાન ઘસડી જશે અને તમારા ઓથા અસત્ય પર પૂરનાં પાણી ફરી વળશે. મરણ સાથેનો તમારો કરાર તૂટી જશે અને મૃત્યુલોક શેઓલ સાથેની તમારી સંધિ રદ થશે. તમારા પર વિનાશનો ચાબુક વીંઝાશે અને તેના પ્રહારથી તમે પડી જશો. તે દર સવારે, દિવસ અને રાત તમારા પર વારંવાર વીંઝાશે અને દર વખતે તે તમને તેની ઝપટમાં લેશે. એના ભયના ભણકારા માત્રથી તમે ધ્રૂજી ઊઠશો. તમારી સ્થિતિ પેલી કહેવતના માણસ જેવી થશે: પલંગ એટલો ટૂંકો છે કે પગ લાંબા થઈ શકે તેમ નથી અને ચાદર એટલી સાંકડી છે કે ઓઢવા બસ થાય તેમ નથી પ્રભુ જેમ પરાશીમ પર્વત પર અને ગિબ્યોનની ખીણમાં ઝઝૂમવા તૈયાર થઈ ગયા તેમ તે પોતાનું ધારેલું અદ્‍ભુત અને અનોખું કામ પૂરું પાડવા ખડા થઈ જશે. માટે હવે મશ્કરી ઊડાવવાનું બંધ કરો, નહિ તો તમારાં બંધન વધુ દઢ બનાવાશે. સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે સમગ્ર દેશનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે તે અમે સાંભળ્યું છે. મારું યાનપૂર્વક સાંભળો. મારા કહેવા પર લક્ષ આપો. શું ખેડૂત વાવણી માટે સતત ખેડયા કરે છે? શું માટીનાં ઢેફાં ભાગવા તે સતત સમાર ફેરવ્યા કરે છે? ખેડેલી જમીન સમતલ કર્યા પછી તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી? એ જ રીતે શું તે ઘઉં અને નિયત ભાગમાં જવ ઓરતો નથી? તે ખેતરના છેડામાં ય અન્ય ધાન્ય વાવતો નથી? ઈશ્વર તેને સલાહસૂચન અને સાચું શિક્ષણ આપે છે. સુવા કંઈ હથોડાથી ઝુડાતું નથી અથવા જીરા પર ગાડાનું પૈડું ફેરવાતું નથી. સુવા દાંડીથી અને જીરું લાકડીથી ઝુડાય છે. રોટલી બનાવવા ધાન્યને પીસવામાં આવે છે, તેથી કોઈ તેને સતત ઝૂડયા જ કરતું નથી. ધાન્ય છૂટું પાડવા તેના પર ગાડું ફેરવવામાં આવે છે, પણ ગાડે જોડેલા ઘોડા તેનો દળીને લોટ કરી નાખતા નથી. સર્વસમર્થ પ્રભુ પાસેથી આ બધી સમજ પ્રાપ્ત થાય છે. તેમની સલાહસૂચના અદ્‍ભુત અને તેમનું શાણપણ અજબ છે. અરે, વેદી, ઈશ્વરની વેદી યરુશાલેમ! તારું આવી બન્યું જાણ! હે દાવિદની છાવણીના નગર! તારી દુર્દશા થવાની છે! વર્ષોવર્ષ પર્વોત્સવનું ચક્ર ચાલ્યા કરે છે. પણ હવે ઈશ્વર તારા પર આપત્તિ મોકલવાના છે. તારે ત્યાં શોક તથા વિલાપ થઈ રહેશે, મારી સમક્ષ તું રક્તભીની વેદીના જેવું બની જશે. ઈશ્વર તારી આસપાસ છાવણી નાખશે. તે બુરજો બાંધી તને ઘેરો ઘાલશે અને તારી સામે મોરચા ઊભા કરશે. તને નીચું પાડી નાખવામાં આવશે અને તું ભૂમિમાંથી બોલશે. તું ધૂળમાંથી ગણગણશે. ધરતીમાંથી ભૂતના સાદ જેવો તારો સાદ સંભળાશે અને ધૂળમાંથી તારો ધીરો અવાજ આવશે. હે યરુશાલેમ, તારા પર આક્રમણ કરનારા પરદેશીઓનાં ધાડાં બારીક ધૂળની જેમ અને ઘાતકી લશ્કરો ફોતરાંની જેમ ઊડી જશે. ત્યારે એકાએક ક્ષણભરમાં સર્વસમર્થ પ્રભુ તારી વહારે ધાશે. તે આવશે ત્યારે મેઘગર્જના, ધરતીકંપ, ભારે અવાજ, આંધી અને તોફાન થશે અને ભરખી જનાર અગ્નિની જ્વાળાઓ ભભૂકી ઊઠશે. ત્યારે ઈશ્વરની વેદી સમા યરુશાલેમ નગર સામે ઝઝૂમતી અને તેના કિલ્લાઓને ઘેરી લઈ ભીંસમાં લેતી સર્વ પ્રજાઓનાં લશ્કરો એમના બધા શસ્ત્રસરંજામ સહિત સ્વપ્નની જેમ અને રાતના આભાસની જેમ અદશ્ય થઈ જશે. ભૂખ્યો માણસ સ્વપ્નમાં ખાતો હોય પણ જાગી ઊઠે ત્યારે ભૂખ્યો જ હોય અને તરસ્યો માણસ સ્વપ્નમાં પાણી પીતો હોય પણ જાગી ઊઠે ત્યારે તરસ્યો જ હોય તેવી સ્થિતિ સિયોન પર્વત સામે લડવા એકઠી થયેલી બધી પ્રજાની થશે. મૂર્ખાઈ કરો અને મૂર્ખ બનો. આંખો ફોડીને આંધળા બનો. દ્રાક્ષાસવ પીધા વિના પીધેલા બનો. દારૂ પીધા વિના લથડિયાં ખાઓ. પ્રભુએ તમને ઘેનમાં નાખ્યા છે અને તમે ભરઊંઘમાં પડવાની તૈયારીમાં છો. સંદેશવાહકો તમારી આંખો છે, પણ પ્રભુએ તેમને મહોર મારી બંધ કરી દીધી છે. દષ્ટાઓ તમારાં મગજ છે, પણ પ્રભુએ તેમને ઢાંકી દીધાં છે. સંદેશવાહકના દર્શનનો અર્થ તમારાથી છૂપો રખાયો છે. તે મુદ્રાંક્તિ કરેલા લેખ જેવો છે. જો તમે તેને કોઈ શિક્ષિત માણસ પાસે વાંચવા લઈ જાઓ તો તે કહેશે, ‘હું એ વાંચી શકું તેમ નથી. કારણ, તે મુદ્રાંક્તિ કરેલો છે.’ જો તમે તેને કોઈ અભણ પાસે વાંચવા લઈ જાઓ તો તે કહેશે, ‘મને વાંચતાં આવડતું નથી!’ પ્રભુ કહે છે, “આ લોકો મારું માત્ર મુખના શબ્દોથી ભજન કરવા આવે છે. તેઓ પોતાના હોઠથી મારું સન્માન કરે છે, પણ તેમનું હૃદય મારાથી દૂર હોય છે. તેમની ઉપાસના માત્ર મુખપાઠ કરેલ માનવી નિયમો અને પ્રણાલિકાઓ છે. તેથી હું આ લોકો મધ્યે અવનવાં અદ્‍ભુત કાર્યો કરીને તેમને આશ્ર્વર્યમાં પાડી દઈશ. તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નાશ પામશે અને તેમના બુદ્ધિમાનોની હોશિયારી ચાલી જશે.” ઈશ્વરથી પોતાની યોજનાઓ છુપાવવા ઊંડે ભૂગર્ભમાં ચાલ્યા જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ અંધકારમાં પોતાનાં કામ કરે છે અને એમ વિચારે છે કે, “અમને કોણ જુએ છે? અમે જે કરીએ છીએ તે કોણ જાણવાનું છે?” અરે, આ તો તમારી કેવી આડાઈ છે! શું માટી કુંભારની બરાબર ગણાય? કોઈ કૃતિ પોતાના ર્ક્તાને એમ કહેશે કે, ‘તેં મને બનાવી નથી’ અથવા ઘડો કુંભારને એમ કહેશે કે, ‘તને કંઈ ભાન નથી?’ થોડા જ સમયમાં લબાનોનનું ગાઢ જંગલ ફળદ્રુપ ખેતરમાં ફેરવાઈ જશે અને ફળદ્રુપ ખેતર જંગલ બની જશે. એ સમયે બહેરા લોકો વંચાતા પુસ્તકની વાતો સાંભળશે અને આંધળાની આંખો ધૂંધળાપણું અને અંધકારમાં થઈને જોશે. નમ્રજનો ફરીથી પ્રભુમાં આનંદ કરશે અને કંગાલો ઈશ્વરમાં હરખાશે. જુલમગારો અને તુમાખીખોરોનો અંત આવશે. દુષ્ટતા પર જેમની દષ્ટિ મંડાયેલી છે એવા સૌ માર્યા જશે. બીજાઓ પર તહોમત મૂકનારા, નગરપંચમાં બચાવપક્ષે બોલનારને ફાંદામાં ફસાવનારા અને જુઠ્ઠી સાક્ષી પૂરી નિર્દોષને ન્યાયથી વંચિત રાખનારાઓનો ઈશ્વર નાશ કરશે. તેથી અબ્રાહામનો ઉદ્ધાર કરનાર પ્રભુ યાકોબના વંશજોને કહે છે, “હે મારા લોક, હવે તમારે શરમાવાનો વારો આવશે નહિ અને તમારો ચહેરો ફિક્કો પડી જશે નહિ. કારણ, યાકોબનાં સંતાન તેમની વચમાં કરાયેલાં મારાં હાથનાં કાર્યો જોશે ત્યારે તેઓ મારા પવિત્ર નામનું સન્માન કરશે. તેઓ મારો યાકોબના પવિત્ર ઈશ્વર તરીકે સ્વીકાર કરશે અને ઇઝરાયલના ઈશ્વર તરીકે મારો આદરપૂર્વક ડર રાખશે. હઠીલા મનના લોકો સમજશે અને કચકચ કરનારા શિખામણનો સ્વીકાર કરશે.” પ્રભુ કહે છે, “હઠીલી પ્રજાની તો દુર્દશા થશે! તેઓ યોજનાઓ ઘડે છે, પણ તે મારી ઇચ્છા મુજબની નથી. તેઓ સંધિકરારો કરે છે, પણ તે મારા આત્માએ પ્રેરેલા નથી. એમ કરીને તેઓ પાપ પર પાપનો ગંજ ખડક્યે જાય છે. મને પૂછયા સિવાય તેઓ સંરક્ષણ માટે ઇજિપ્તના રાજા ફેરો પાસે અને આશરો લેવા ઇજિપ્તની છાયામાં દોડયા જાય છે. પણ ફેરો રાજાનું રક્ષણ મેળવવા જતાં તેમણે લજ્જિત થવું પડશે અને ઇજિપ્તની છાયા અપમાનમાં પરિણમશે. યહૂદિયાના અમલદારો ઇજિપ્તના શહેર સોઆનમાં અને તેમના રાજદૂતો હાનેસ શહેરમાં પહોંચી ગયા છે. પણ મદદમાં ન આવે એવા લોકને લીધે તેઓ સૌએ શરમાવું પડશે. એ લોકો તરફથી કંઈ લાભ કે મદદ તો નહિ, પણ માત્ર શરમિંદગી અને અપમાન જ મળશે.” ઈશ્વરનો સંદેશ દક્ષિણના રણપ્રદેશનાં પ્રાણીઓ વિષેનો છે: જ્યાં સિંહ, ઝેરી નાગ અને ઊડતા સર્પ હોય છે એવા વિકટ અને સંકટવાળા પ્રદેશમાં થઈને રાજદૂતો જાય છે. જેની મદદ બિલકુલ વ્યર્થ છે એવા નિરુપયોગી દેશ ઇજિપ્ત માટે તેઓ ગધેડાંની પીઠ પર પોતાની સમૃદ્ધિ અને ઊંટની ખૂંધ પર પોતાનો ખજાનો લઈ જાય છે. ઇજિપ્તની મદદ નકામી છે. એ માટે તો મેં ઇજિપ્તનું નામ ‘નિષ્ક્રિય રાહાબ’ પાડયું છે. પ્રભુએ મને કહ્યું, “હવે તું જઈને લોકો કેવા દુષ્ટ છે તે તેમની રૂબરૂમાં આ બધું એક પાટી પર લખ અને પુસ્તકમાં નોંધી લે; જેથી તે ભવિષ્યમાં કાયમી સાક્ષી તરીકે કામ લાગે.” આ લોકો તો બંડખોર, જૂઠાબોલા અને પ્રભુની શિખામણની ઉપેક્ષા કરનારા છે. તેઓ દષ્ટાઓને કહે છે, “હવેથી સંદર્શનો જોશો નહિ.” તેઓ સંદેશવાહકોને કહે છે, “તમે અમને સાચો સંદેશ જણાવશો નહિ. અમને તો માત્ર મનગમતી વાતો કહો અને અમારાં ભ્રામક દર્શનો વિશે જ કહો. તમે અમારા માર્ગમાંથી ખસી જાઓ અને વચ્ચે આડે આવશો નહિ. અમારી આગળ ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને પ્રગટ કરવાનું બંધ કરો.” તેથી ઇઝરાયલના પવિત્ર ઈશ્વર આ પ્રમાણે કહે છે: “તમે મારા સંદેશને અવગણ્યો છે અને જુલમ તથા કપટ પર આધાર રાખ્યો છે.” એ અપરાધને કારણે તમારી હાલત મોટી તિરાડવાળી અચાનક તૂટી પડતી ઊંચી દીવાલ જેવી થશે. માટીના કોઈ પાત્રને ભાગી નાખવામાં આવે અને એના એવા ચૂરેચૂરા થઈ જાય કે એના ઠીકરાથી ચૂલામાંથી અંગારોયન લઈ શકાય કે પાણીના ટાંકામાંથી પાણી પણ કાઢી ન શકાય તેવી અમારી દશા થશે. ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ લોકોને કહે છે, “પાછા ફરો અને સ્વસ્થ રહો તો તમે સલામત રહેશો. શાંત રહો અને વિશ્વાસ રાખો તો તમને સામર્થ્ય પ્રાપ્ત થશે.” પણ તમે તેમ કરવા ઈન્કાર કર્યો છે. એને બદલે તમે કહ્યું, “ના, ના, અમે તો ઘોડા પર બેસી ભાગી જઈશું.” તેથી તમારે ભાગી જવાનું જ થશે. વળી, તમે કહ્યું, “અમે જલદ ઘોડા પર સવારી કરી નાસી જઈશું.” તેથી તમારો પીછો કરનારાઓની ઝડપ તેથી ય વિશેષ હશે. દુશ્મનના એક સૈનિકની ધમકીમાત્રથી તમારામાંના હજાર નાસી જશે અને તેમના પાંચ સૈનિકોની ધમકીથી તમે બધા નાસી જશો. પર્વતની ટોચે તમારા લશ્કરી વજની રોપેલી ક્ઠી અને ટેકરી પરની વજા સિવાય કોઈ રહેશે નહિ. છતાં પ્રભુ તમારા પર દયા કરવાને આતુર છે અને તમારા પર કરુણા દાખવવા તત્પર છે. કારણ, તે ન્યાયી ઈશ્વર છે અને જેઓ તેમની અપેક્ષા સેવે છે તેવા સૌને ધન્ય છે. હે યરુશાલેમમાં વસતા સિયોનના લોકો, તમારે ફરીથી રડવું પડશે નહિ. તમે મદદને માટે ઈશ્વરને પોકાર કરશો એટલે તે તમારા પર દયા દાખવશે. તમારું સાંભળીને તે તમને તરત જ જવાબ આપશે. પ્રભુ તમને સંકટરૂપી રોટલી અને વિપત્તિરૂપી પાણી આપશે. છતાં એવા સમયોમાં તમારો શિક્ષક સંતાયેલો રહેશે નહિ, પણ તે તમારી આંખોની સામે જ રહેશે. જ્યારે તમે માર્ગમાંથી હટીને જમણી કે ડાબી તરફ ફરશો ત્યારે તરત જ તમે પાછળથી તેમનો અવાજ સાંભળશો: “માર્ગ આ છે; તેના પર ચાલો.” તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાનો ઢોળ ચડાવેલી મૂર્તિઓને અશુદ્ધ ગણી ગંદા ચીંથરાની જેમ ફેંકી દેશો. તમે બૂમ પાડશો, “મારાથી દૂર થા!” તમે જમીનમાં બીજની વાવણી કરશો ત્યારે પ્રભુ તેને ઉગાડવા માટે વરસાદ વરસાવશે અને જમીનમાંથી પૌષ્ટિક અને મબલક પાક પેદા થશે. તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરિયાણમાં ચરશે. તમારાં ખેતર ખેડનારા બળદો અને ગધેડાં સલૂણો અને સારી રીતે ઉપણેલો ઉત્તમ ચારો ખાશે. એ દિવસે તમારા દુશ્મનોના કિલ્લા તોડી પડાશે અને તેમની ક્તલ થશે. તે દિવસે પ્રત્યેક ઊંચા પર્વત પરથી અને પ્રત્યેક ડુંગર પરથી પાણીનાં ઝરણાં વહેવા માંડશે. ચંદ્રનો પ્રકાશ સૂર્યના જેટલો થશે અને સૂર્યનો પ્રકાશ સાત દિવસના પ્રકાશ જેટલો મોટો થશે. પ્રભુ પોતાના લોકના ઘા પર પાટો બાંધશે અને તેમને પડેલા જખમ સાજા કરશે તે સમયે એવું થશે. જુઓ, પ્રભુ પોતે દૂરથી આવતા દેખાય છે. તેમનો ક્રોધ ભભૂકી રહ્યો છે અને ધૂમાડાના ગોટેગોટા ઊડી રહ્યા છે. તેમના હોઠ રોષે ભરેલા છે અને તેમની જીભ ભરખી જતી અગ્નિની જ્વાળા જેવી છે. તેમનો શ્વાસ ગળા સુધી પહોંચતા ધસમસતા પ્રવાહ જેવો છે. તે પ્રજાઓને વિનાશની ચાળણીમાં ચાળે છે અને લોકો ભ્રમણામાં પડી જાય તેવી લગામ તેમના જડબાંમાં ઘાલે છે. પવિત્ર પર્વની રાત્રે ગીત ગાતા હો તેમ તમે આનંદથી ગાશો. વીણાના સંગીત સાથે ઇઝરાયલના ખડક સમા રક્ષક પ્રભુના મંદિરના પર્વતે જતી વેળાએ વાંસળી વગાડતા લોકની જેમ તમારાં હૃદય આનંદથી છલકાશે. પ્રભુ સૌને પોતાની પ્રતાપી ગર્જના સંભળાવશે અને પોતાના ઉગ્ર કોપમાં લોકોને ભભૂક્તા અગ્નિથી, આંધીથી, ધોધમાર વરસાદથી તથા કરાથી પોતાના ભુજનું ત્રાટકવું દેખાડશે. પ્રભુનો અવાજ સાંભળતાં આશ્શૂર થરથરી જશે અને પ્રભુના રાજદંડથી તેમના પર પ્રહાર થશે. આશ્શૂરીઓ સામેની લડાઈમાં પ્રભુ પોતાને હાથે તેમને સજાની સોટી ફટકારશે અને આશ્શૂરીઓ પર થતા પ્રભુના પ્રત્યેક પ્રહાર સાથે ખંજરી અને વીણાના નાદ ગાજી ઊઠશે. આશ્શૂરના રાજાને અગ્નિદાહ દેવા ઘણા સમયથી તોફેથ (દહનસ્થાન) તૈયાર છે. ત્યાં અગ્નિ બળ્યા કરે છે. તેની ચિતા ઊંડી અને પહોળી છે અને તેમાં પુષ્કળ લાકડાં સીંચેલાં છે. પ્રભુનો શ્વાસ સળગતા ગંધકના પ્રવાહની જેમ તેને પેટાવે છે. ઇજિપ્તની મદદ માટે દોડી જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ ઇજિપ્તના ઘોડાઓ પર આધાર રાખે છે અને તેમના પુષ્કળ રથો અને સમર્થ ઘોડેસ્વારો પર ભરોસો રાખે છે. પણ તેઓ ઇઝરાયલના પવિત્ર ઈશ્વર પ્રભુ તરફ મીટ માંડતા નથી, કે તેમની મદદ માગતા નથી. તેમ છતાં પ્રભુ જ્ઞાની છે અને તેથી પોતે ઉચ્ચારેલી ધમકી પ્રમાણે તે દુષ્ટોનાં સંતાનો પર તેમ જ ભૂંડાઈ આચરનારાઓ પર આફત ઉતારે છે. તે શિક્ષા કર્યા વિના રહેતા નથી. ઇજિપ્તીઓ પણ માણસો જ છે, દેવો નહિ. તેમના ઘોડા ય પાર્થિવ દેહના છે; તે કંઈ અલૌકિક નથી. પ્રભુ પોતાનો હાથ ઉગામશે ત્યારે સહાય કરનારાઓ ઠોકર ખાશે અને મદદ મેળવનારાઓનું પતન થશે. બલ્કે, તેઓ સૌ એક સાથે નષ્ટ થઈ જશે. પ્રભુએ મને કહ્યું, “સિંહ પોતાના પકડેલા શિકાર પર ધૂરક્તો હોય ત્યારે ઘણા ભરવાડોને એકઠા કરવામાં આવે તો તેમના બુમાટાથી કે હોકારાથી સિંહ ગભરાઈ જતો નથી. તેવી જ રીતે સર્વસમર્થ પ્રભુ સિયોનના રક્ષણાર્થે તેના શિખર પર ઊતરી આવતાં કોઈથી રોકાશે નહિ. જેમ પક્ષી પાંખો પ્રસારી બચ્ચાનું રક્ષણ કરે છે તેમ હું સર્વસમર્થ પ્રભુ યરુશાલેમ પર આચ્છાદન કરીને તેનો બચાવ કરીશ અને તેની વહારે આવીને તેનું રક્ષણ કરીશ.” પ્રભુએ કહ્યું, “હે ઇઝરાયલના લોકો, તમે મારી વિરુદ્ધ ભારે બંડ કર્યું છે. પણ હવે મારી પાસે પાછા આવો! એ સમયે તમે સૌ તમારા પાપી હાથે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને ફેંકી દેશો. આશ્શૂર તરવારનો ભોગ થઈ પડશે. પણ માનવી હાથે તેનો નાશ થશે નહિ. આશ્શૂરીઓ લડાઈમાંથી નાસી જશે અને તેમના યુવાનોની પાસે વેઠ કરાવવામાં આવશે. તેમના ગઢ સમો તેમનો રાજા ભયનો માર્યો નાસી જશે. તેમના લશ્કરી અધિકારીઓમાં એવો આતંક ફેલાશે કે તેઓ યુદ્ધનો વજ પડતો મૂકીને ભાગી જશે.” સિયોનમાં જેમનો અગ્નિ છે અને યરુશાલેમ જેમની ભઠ્ઠી છે એવા પ્રભુ આ બોલ્યા છે. જુઓ, એક એવો સમય આવશે જ્યારે નીતિમત્તાથી રાજ ચલાવનાર એક રાજા આવશે. તેના અમલદારો ન્યાયપૂર્વક અમલ ચલાવશે. તેમનામાંનો પ્રત્યેક પવનથી સંતાવાની જગ્યા અને તોફાનની સામે ઓથા જેવો હશે. તે રણપ્રદેશમાં વહેતા ઝરણા જેવો અને વેરાન તથા નિર્જળ પ્રદેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે. ત્યારે જોનારાની આંખો બંધ કરી દેવાશે નહિ અને સાંભળનારાના કાન સરવા થશે. અધીરા મનના માણસો જ્ઞાનની સમજણ મેળવશે અને તોતડી જબાનવાળો ઝડપથી અને સ્પષ્ટપણે બોલશે. મૂર્ખને કોઈ ખાનદાન કહેશે નહિ અથવા ધૂર્તનું કોઈ સન્માન કરશે નહિ. કારણ, મૂર્ખ મૂર્ખાઈની વાત કરે છે અને તેનું મન અધર્મ આચરવામાં ચોંટેલું છે. તે દુરાચાર કરે છે અને પ્રભુ વિષે વિપરીત વાતો ફેલાવે છે. તે ભૂખ્યાને ભોજનથી વંચિત રાખે છે અને તરસ્યાને પાણી પાતો નથી. ધૂર્તની કાર્યપદ્ધતિય કુટિલ હોય છે. તે જૂઠથી ગરીબનો નાશ કરવા અને કંગાલોને તેમના યથાર્થ હક્કોથી વંચિત રાખવા પ્રપંચ કરે છે. પણ ઉમદા માણસ ઉમદા યોજનાઓ ઘડે છે અને તે પોતાનાં ઉમદા કાર્યોથી ટકી રહે છે. ઓ સંતુષ્ટ સ્ત્રીઓ, ઊઠો, મારી વાણી સાંભળો! ઓ બેદરકાર પુત્રીઓ, મારું કહેવું સાંભળો! હમણાં તમે સહીસલામતી અનુભવો છો, પણ આવતે વર્ષે આ સમયે તમે ધ્રૂજવા માંડશો. કારણ, દ્રાક્ષનો પાક નિષ્ફળ જવાનો છે; એટલે, દ્રાક્ષો વીણવાનો સમય આવશે નહિ. ઓ સંતુષ્ટ સ્ત્રીઓ ધ્રૂજી ઊઠો! ઓ બેદરકાર પુત્રીઓ, ભયથી કાંપી ઊઠો! તમારાં વસ્ત્રો કાઢીને કમરે કંતાન વીંટો. છાતી કૂટીને રુદન કરો; કારણ, ફળદ્રુપ ખેતરો અને દ્રાક્ષવાડીઓનો નાશ થયો છે. મારા લોકના દેશમાં કાંટા-ઝાખરાં ઊગી નીકળ્યાં છે. ઉલ્લાસી નગરમાં એકવાર બધાં ઘરકુટુંબો સુખશાંતિમાં હતાં; પણ હવે એવાં રહ્યાં નથી. તેથી શોકવિલાપ કરો. કારણ, રાજમહેલ સૂમસામ બની જશે અને ધમધમતું પાટનગર નિર્જન બની જશે. સંરક્ષણ માટેનો કિલ્લો અને ચોકીનો બુરજ કાયમનાં ખંડિયેર બની જશે. ત્યાં જંગલી ગધેડાં આનંદથી ફરશે અને ઘેટાંબકરાં ચરશે. પણ ઈશ્વર ફરી એકવાર ઉપરથી પોતાનો આત્મા રેડી દેશે અને રણપ્રદેશ ફળદ્રુપ જમીન બની જશે અને ફળદ્રુપ જમીન વન સરખી બની જશે. રણપ્રદેશ હોય કે ફળદ્રુપ પ્રદેશ હોય પણ સમગ્ર દેશમાં ન્યાયનીતિ પ્રવર્તશે. ન્યાયનીતિને પરિણામે કલ્યાણ અને તેની અસરથી કાયમી નિરાંત અને સહીસલામતી પ્રવર્તશે. ઈશ્વરના લોક શાંતિદાયક નિવાસોમાં, સલામત આવાસોમાં અને સ્વસ્થ આરામસ્થાનોમાં રહેશે. (જો કે કરા પડવાથી વન પાયમાલ થશે અને નગર જમીનદોસ્ત થઈ જશે.) તમે કેવા સુખી થશો! કારણ, તમે પ્રત્યેક ઝરણાના પાણીવાળા પ્રદેશમાં અનાજ વાવશો અને તમારાં ગધેડાં અને ઢોરઢાંકને પણ ચરવા માટે છૂટાં મૂકી શકશો. હે વિનાશક, તારી કેવી દુર્દશા થશે! તારો પોતાનો વિનાશ થયો નથી. હે દગાખોર, હજી તને દગો દેખાયો નથી. તું વિનાશ કરી રહે એટલે તારો વિનાશ કરાશે. તારી દગાખોરી પૂરી થાય એટલે તને દગો દેવાશે. હે પ્રભુ, અમારા પર દયા કરો; અમારી આશા તમારા પર છે. તમે રોજરોજ અમારું સામર્થ્ય બનો અને સંકટના સમયથી અમારો બચાવ કરો. તમે અમારે પક્ષે લડવા તૈયાર થશો ત્યારે તમારી ગર્જનામાત્રથી લોકો ભાગી જશે અને પ્રજાઓ વેરવિખેર થઈ જશે. જુવાન તીડોનાં ટોળાં પાક પર ઊતરી પડીને તેને સફાચટ કરી નાખે તેમ હે પ્રજાઓ, તમારી માલમિલક્ત તરાપ મારી લૂંટી લેવાશે. પ્રભુ સર્વોપરી છે અને તે પરમધામમાં વસે છે. સિયોનને તે ઈન્સાફ અને સદાચારથી ભરપૂર કરશે. તે સર્વ સમયે પોતાના લોકનો અડગ આધાર બની રહેશે. તે તેમને માટે ઉદ્ધાર, જ્ઞાન અને ડહાપણનો સમૃદ્ધ ખજાનો બની રહેશે. પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ એ જ તેમનો ખજાનો છે. શૂરવીરો શેરીઓમાં મોટે સાદે વિલાપ કરે છે. સલાહશાંતિ માટે પ્રયાસ કરનારા રાજદૂતો હૈયાફાટ રુદન કરે છે. રાજમાર્ગો સૂમસામ બન્યા છે, રસ્તાઓ પર કોઈ મુસાફરી કરતું નથી. કરારનો ભંગ કરાયો છે, તેના સાક્ષીઓની ઉપેક્ષા કરાઈ છે, અને કોઈનું માન જાળવવામાં આવતું નથી. દેશ સુકાઈને વેરાન થયો છે. લબાનોનની વનરાજી લજ્જિત થઈ ચીમળાઈ ગઈ છે. શારોનની ફળદ્રુપ ખીણ રણપ્રદેશ જેવી બની છે. બાશાન અને ર્કામેલ પર્વત પરનાં વૃક્ષોનાં પાંદડાં ખરી પડયાં છે. પ્રભુ કહે છે, “હવે હું ઊભો થઈશ. હું પોતાને ઊંચો કરીશ. હું હવે મોટો મનાઈશ.” તમે વ્યર્થ યોજનાઓ ઘડો છો અને કશું સિદ્ધ કરી શક્તા નથી. મારો શ્વાસ અગ્નિની માફક તમારો નાશ કરશે. તમને ભઠ્ઠીમાંના ચૂનાની જેમ તપાવવામાં આવશે અને સોરી નાખેલા કાંટાની જેમ તમને બાળી નાખવામાં આવશે. હે દૂરદૂરના લોકો, તમે મારા પરાક્રમી કામો વિષે સાંભળો! ઓ નજીક વસતા લોકો તમે તેનો પરચો કરો! સિયોનમાં પાપીઓ ધ્રૂજી ઊઠયા છે. દુષ્ટોને કંપારી છૂટી છે. તેઓ કહે છે: “આપણામાંથી કોણ ભસ્મ કરી નાખનાર અગ્નિ સાથે અને સદા બળતી આગ સાથે વસી શકે?” જે માણસ સદાચારને માર્ગે ચાલે છે, જે સાચું બોલે છે, જે ગરીબો પરના જોર જુલમથી મળતો લાભ નકારે છે, જે લાંચ સ્વીકારવાથી પોતાનો હાથ પાછો રાખે છે, જે હિંસાની વાત ન સાંભળવી પડે માટે પોતાના કાન બંધ કરી દે, જે ભૂંડાઈના પ્રપંચ તરફ પોતાની આંખો મીંચી દે છે એવો જ માણસ વાસો કરી શકશે. એવો માણસ જ્યાં અખૂટ ખોરાક પાણીનો જથ્થો સંઘરેલો હોય તેવા પર્વતની ટોચે આવેલા કિલ્લાની સલામતી પામશે. તારી આંખો રાજાને તેના વૈભવમાં જોશે; તેઓ દૂરદૂર સુધી વિસ્તરેલા તેના દેશને જોશે. ભૂતકાળના ભયની વાતોના તને વિચાર આવશે: ખંડણીની આકારણી કરનાર મુખ્ય અધિકારી હવે ક્યાં છે? તોલ કરી ખંડણીની વસૂલાત કરનાર ક્યાં છે? બુરજોની ગણતરી કરનાર જાસૂસો ક્યાં છે? હવેથી તું તોતડી જબાનના અને અકળ અને અજાણી ભાષા બોલનાર તુમાખીખોર લોકને જોવા પામશે નહિ. આપણા ધાર્મિક ઉત્સવોની નગરી સિયોનને નિહાળ! તારી આંખો યરુશાલેમને, સહીસલામત વસવાટના સ્થાનને જોશે. એ તો કદી ન ખસેડાનાર તંબુ જેવું છે કે જેની મેખો કદી ઉખેડાશે નહિ અને જેનાં દોરડાં તોડી નંખાશે નહિ. ત્યાં પ્રભુ આપણી સમક્ષ પોતાનો મહિમા પ્રગટ કરશે. એ તો મોટી નદીઓ અને ઝરણાંનું સ્થળ બની રહેશે. પણ ત્યાં હલેસાંવાળી હોડીઓ કે મોટાં વહાણો આવશે નહિ. એ વહાણોનાં દોરડાં એવાં તો ઢીલાં થઈ જશે કે તેઓ ડોલક્ઠીને જકડી રાખી શકશે નહિ અને સઢ પ્રસારી શકશે નહિ. (પ્રભુ આપણા ન્યાયાધીશ અને નિયમદાતા છે; તે આપણા રાજા અને ઉદ્ધારક છે.) તેથી આપણે લૂંટ વહેંચી લઈશું. લૂંટ એટલી અઢળક હશે કે લંગડાને પણ તેનો ભાગ મળશે. *** આપણા દેશનો કોઈ રહેવાસી પોતે બીમાર છે એવી ફરિયાદ કરશે નહિ અને ત્યાં વસતા સઘળા લોકોનાં બધાં પાપ માફ કરાશે. હે સર્વ પ્રજાઓ, પાસે આવીને સાંભળો! હે લોકો, લક્ષ દો! આખી પૃથ્વી અને તેમાંનું સર્વસ્વ, આખી દુનિયા અને તેના રહેવાસીઓ સૌ કોઈ સાંભળો! પ્રભુ બધી પ્રજાઓ પર રોષે ભરાયા છે અને તેમનાં લશ્કરો પર કોપાયમાન છે. તેમણે તેમનો નાશ કરવાનો નિર્ધાર કર્યો છે અને તેમને સંહારને સ્વાધીન કર્યા છે. તેમના ક્તલ થઈ ગયેલાઓને ફેંકી દેવાશે અને તેમનાં શબ સડીને દુર્ગંધ મારશે. તેમના લોહીથી પર્વતો તરબોળ થઈ જશે. સૂર્ય, ચંદ્ર અને તારાઓ પીગળી જશે. જેમ પુસ્તકનો વીંટો વીંટાળી લેવામાં આવે તેમ આકાશો અલોપ થઈ જશે. દ્રાક્ષવેલા પરથી સૂકાં પાદડાં અને અંજીરી પરથી પાકાં અંજીર ખરી પડે તેમ તારાઓ ખરી પડશે. પ્રભુએ આકાશમાં પોતાની તલવારને બરાબર પાણી ચડાવીને તૈયાર કરી છે. હવે નાશને માટે નિર્ધારિત અદોમના લોકો પર તે કેવી વીંઝાય છે તે જોજો. પ્રભુની તલવાર જાણે કે હલવાન અને બકરાના લોહીમાં તરબોળ થઈ છે અને તેના પર જાણે કે મૂત્રપિંડની ચરબી જામી છે. કારણ, પ્રભુએ બોસ્રાહમાં મોટો યજ્ઞ કર્યો છે અને અદોમમાં તેમણે લોકની ભારે ક્તલ ચલાવી છે. જંગલી આખલા, વાછરડા અને પુખ્ત ગોધાની જેમ લોકોની ક્તલ થશે. તેમનો પ્રદેશ લોહી લોહી થઈ જશે અને તેમની ભૂમિ ચરબીથી લથબથ થઈ જશે એ તો સિયોનના પક્ષની હિમાયત કરી તેના દુશ્મનો પર વૈર વાળવાનો પ્રભુનો દિવસ હશે. અદોમની નદીઓ ડામરમાં અને તેની ધૂળ ગંધકમાં ફેરવાઈ જશે. આખો દેશ બળતા ડામર જેવો થશે. તે રાતદિવસ બળ્યા જ કરશે અને તેનો ધૂમાડો સતત ઉપર ચડયા કરશે. દેશ કાયમને માટે વેરાન થશે અને કોઈ તેમાં થઈને મુસાફરી કરશે નહિ. તે બગલા અને શાહુડીનું વતન થશે. ત્યાં ધુવડ તથા જંગલી કાગડા વસશે. પ્રભુ અદોમ પર અંધાધૂંધીની માપદોરી અને વેરાનનો ઓળંબો લંબાવશે. ત્યાં રાજસત્તાને જાહેર કરનારા કોઈ અમીર ઉમરાવો નહિ હોય. વળી, સર્વ રાજદરબારીઓનો લોપ થશે. તેના રાજગઢો પર કાંટા અને કિલ્લાઓ પર ઝાંખરાં ઊગી નીકળશે અને તેઓ શિયાળવાંની બોડ અને શાહમૃગોનો વાસ બની જશે. ત્યાં જંગલી પ્રાણીઓ અને વરુઓનો ભેટો થશે અને જંગલી બકરા સામસામે બેંબેં કરશે. નિશાચરો ત્યાં વાસો કરશે અને તે તેમનું વિરામસ્થાન બની રહેશે. ધુવડો ત્યાં માળા બાંધશે, ઈંડાં સેવશે અને બચ્ચાંને પોતાની પાંખો નીચે સંભાળશે. વળી, સમડીઓ પણ પોતાના સાથીસહિત ત્યાં એકઠી થશે. પ્રભુના પુસ્તકમાં શોધ કરીને વાંચો: ત્યાં આ પ્રાણીઓમાંથી એકેય ખૂટતું નહિ હોય અને એમાંનું એકેય પોતાના સાથી વગરનું નહિ હોય. કારણ, પ્રભુએ એવી આજ્ઞા કરી છે. તે પોતાના સામર્થ્યથી તેમને એકઠાં કરશે. પ્રભુએ દરેકને તેનો ભાગ નક્કી કરી આપ્યો છે; તેમણે પોતાને હાથે દોરીથી માપીને જમીનના ભાગ પાડી આપ્યા છે. તેઓ હરહંમેશા એ દેશનું વતન ભોગવશે અને તેમાં તેઓ વંશાનુવંશ વાસો કરશે. રણપ્રદેશ અને સૂકી ભૂમિ હર્ષિત થશે, અને પડતર જમીન પ્રફુલ્લિત થઈને ગુલાબની જેમ ખીલી ઊઠશે. તે આનંદ અને હર્ષના પોકાર કરશે. તેને લબાનોનનું સૌંદર્ય અને ર્કામેલ પર્વત તથા શારોનની ખીણની શોભા અપાશે. સૌ કોઈ પ્રભુનું ગૌરવ અને તેમનો પ્રતાપ જોશે. થાકી ગયેલા બધા હાથોને મજબૂત કરો અને ધ્રૂજતા ઢીંચણોને સ્થિર કરો. ઉચાટ દિલવાળાને કહો, ‘દઢ થાઓ અને બીશો નહિ! જુઓ, તમારા ઈશ્વર આવે છે.’ તે તમારા દુશ્મનો પર વૈર વાળશે અને બદલો લેશે. તે પોતે તમારો બચાવ કરશે. ત્યારે અંધજનોની આંખો ઊઘડી જશે અને બહેરાઓના કાન ખૂલી જશે. લંગડો હરણની જેમ કૂદશે અને મૂંગાની જીભ હર્ષનો પોકાર કરશે. ત્યારે વેરાનપ્રદેશમાં પાણી ફૂટી નીકળશે, અને રણપ્રદેશમાં ઝરણાં વહેવા માંડશે. મૃગજળ તે તલાવડી અને તરસી ભૂમિ તે પાણીના ઝરા થઈ જશે. એકવાર જ્યાં શિયાળો વસતાં હતાં ત્યાં ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે. ત્યાં રાજમાર્ગ થશે, અને તે “પવિત્રતાનો રાજમાર્ગ” કહેવાશે. એ માર્ગે વિધિગત રીતે અશુદ્ધ એવો કોઈ માણસ જશે નહિ. એ માર્ગ તેના લોકોને માટે થશે અને તેમાં ભોળા પણ ભૂલા પડશે નહિ. ત્યાં કોઈ સિંહ નહિ હોય કે કોઈ હિંસક પ્રાણી પણ નહિ ફરકે. માત્ર ઉદ્ધાર પામેલાઓ જ એ માર્ગ પર ચાલશે; પ્રભુએ જેમને છોડાવ્યા છે તેઓ એ માર્ગે પાછા ઘેર આવશે. તેઓ આનંદથી ગાતા ગાતા સિયોનમાં પ્રવેશશે અને તેમના શિર પર સદાનો આનંદ રહેશે. તેઓ હર્ષ તથા આનંદથી ઉભરાશે અને તેમના શોક અને નિસાસા ચાલ્યા જશે. યહૂદિયાના રાજા હિઝકિયાના અમલના ચૌદમે વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાનાં સર્વ કિલ્લાવાળાં નગરો પર ચડાઈ કરીને તેમને જીતી લીધાં. તે પછી તેણે પોતાના મુખ્ય લશ્કરી અધિકારીને મોટું સૈન્ય લઈને લાખીશથી યરુશાલેમ મોકલ્યો. મુખ્ય લશ્કરી અધિકારી ધોબીના ખેતરમાં જવાને રસ્તે ઉપરના તળાવમાંથી કાઢેલી નહેર પાસે થોભ્યો. ત્યારે યહૂદિયાના ત્રણ આગેવાનો એટલે રાજમહેલનો કારભારી એલ્યાકીમ, જે હિલ્કીયાનો પુત્ર હતો તે, રાજમંત્રી શેબ્ના અને નોંધણીકાર યોઆ, જે આસાફનો પુત્ર હતો તે તેને મળવાને બહાર આવ્યા. આશ્શૂરના મુખ્ય લશ્કરી અધિકારીએ તેમને કહ્યું, “આશ્શૂરના મહારાજધિરાજ હિઝકિયાને પૂછાવે છે, ‘તું કોના પર આધાર રાખે છે?’ તારી પાસે લશ્કરી વ્યૂહરચના અને તાક્ત છે એવું તું કહે છે, પણ એ તો માત્ર મુખના ઠાલા શબ્દો છે. તું કોના પર આધાર રાખીને મારી વિરુદ્ધ બળવો કરે છે? તું તો ઇજિપ્ત પર આધાર રાખે છે. પણ તે તો માણસની હથેલીમાં આરપાર ધૂસી જાય તેવી ભાંગેલી બરુની લાકડી જેવું છે. કોઈ તેના પર ટેકે તો તેને જખમ થયા વિના રહે નહિ. ઇજિપ્તનો રાજા ફેરો તેના પર આધાર રાખનાર સૌને માટે એવો જ છે. “કદાચ તું કહેશે, ‘અમે અમારા ઈશ્વર પ્રભુ પર આધાર રાખીએ છીએ.’ પણ એ પ્રભુની ભક્તિનાં સર્વ ઉચ્ચસ્થાનો અને વેદીઓ તોડી પાડીને યહૂદિયા અને યરુશાલેમના લોકોને એક જ જગ્યાએ ભજન કરવાનું કહેનાર હિઝકિયા જ છે ને? તો હવે મારા માલિક આશ્શૂરના રાજા સાથે બાંધ -છોડ કરી લે! જો તું બે હજાર ઘોડેસવારો પૂરા પાડે તો હું તને એટલા ઘોડા આપીશ. જો તારાથી એટલું ય ન થાય તો ઇજિપ્તના રથો અને ઘોડેસવારોના આધારે તું મારા માલિકના સૌથી નીચલી પાયરીના અધિકારીને પણ કેવી રીતે હરાવી શકીશ? શું તું એમ માને છે કે તારા દેશનો નાશ કરવા મેં પ્રભુની મદદ વિના તારા પર ચડાઈ કરી છે. પ્રભુએ પોતે મને આ દેશ પર ચડાઈ કરી તેનો નાશ કરવા કહ્યું છે.” ત્યારે એલ્યાકીમ, શેબ્ના અને યોઆએ લશ્કરી અધિકારીને કહ્યું, “અમારી સાથે અરામી ભાષામાં બોલ; અમે તે સમજીએ છીએ. હિબ્રૂમાં ન બોલીશ; કારણ, નગરકોટ પર બેઠેલા બધા લોકો પણ સાંભળે છે.” તેણે જવાબ આપ્યો, “મારા રાજાએ માત્ર તમારા રાજા અને તમને જ આ વચનો કહેવા મને મોકલ્યો છે એવું નથી. એ તો નગરકોટ પર બેઠેલા લોકોને પણ કહેવાનાં છે; તેમણે પણ તમારી સાથે પોતાની વિષ્ટા ખાવાનું અને સ્વમૂત્ર પીવાનું છે.” પછી લશ્કરી અધિકારીએ ઊભા થઈને મોટે ઘાંટે હિબ્રૂ ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનું કહેવું સાંભળો. તેમણે આમ કહ્યું છે, ‘જોજો, હિઝકિયા તમને છેતરી ન જાય! તે તમને બચાવી શકવાનો નથી. પ્રભુ જરૂર આપણો બચાવ કરશે અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાં સોંપી દેશે નહિ એમ કહીને તે તમને પ્રભુ પર ભરોસો રાખવાનું સમજાવે નહિ.’ તેથી તમે હિઝકિયાનું સાંભળશો નહિ. આશ્શૂરના રાજાનો આવો આદેશ છે: ‘મારી સાથે સંધિ કરો અને શહેર બહાર આવી મારે શરણે થાઓ. તેથી તમે તમારા દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને અંજીરીનાં અંજીર ખાઈ શકશો અને તમારાં ટાંકાનું પાણી પી શકશો.’ પણ પછી હું આવીશ અને તમને તમારા દેશ જેવા ધાન્ય અને નવા દ્રાક્ષાસવના તથા અન્‍ન અને દ્રાક્ષવાડીઓના મારા દેશમાં લઈ જઈશ. ‘પ્રભુ આપણને છોડાવશે એમ કહીને હિઝકિયા તમને ગેરમાર્ગે ન દોરે તે જોજો. શું મારા હાથમાંથી કોઈપણ પ્રજાના દેવોએ પોતાના લોકને બચાવ્યા છે? હમાથ અને આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઈમના દેવો ક્યાં ગયા? શું તેમણે સમરૂનને મારા હાથથી બચાવ્યું ખરું? આ બધા દેવોમાંથી કોઈએ મારા હાથમાંથી પોતાના દેશોને બચાવ્યા છે? તો પછી પ્રભુ યરુશાલેમને કેવી રીતે બચાવી શકશે?” હિઝકિયા રાજાની સૂચના પ્રમાણે લોકો ચૂપ રહ્યા અને કંઈ જવાબ આપ્યો નહિ. તે પછી એલ્યાકીમ, શેબ્ના અને યોઆએ શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને આશ્શૂરના મુખ્ય લશ્કરી અધિકારીએ કહેલી સર્વ વાતથી હિઝકિયા રાજાને વાકેફ કર્યો. હિઝકિયા રાજાએ એ અહેવાલ સાંભળતાની સાથે જ શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને શરીરે શણિયું વીંટાળીને પ્રભુના મંદિરમાં જઈ પહોંચ્યો. તેણે રાજમહેલના કારભારી એલ્યાકીમને, રાજમંત્રી શેબ્નાને અને અગ્રગણ્ય યજ્ઞકારોને આમોઝના પુત્ર યશાયા સંદેશવાહક પાસે મોકલ્યા. તેમણે સૌએ શણિયાં પહેર્યાં હતાં. તેમણે યશાયાને હિઝકિયા તરફથી આ સંદેશો કહી સંભળાવ્યો, “આજનો દિવસ તો સંકટનો, શિક્ષાનો અને નામોશીનો દિવસ છે. સ્ત્રીને પ્રસૂતિ થવાની તૈયારી હોય, પણ તેનામાં જણવાનું જોર ન હોય એવી આપણી દશા થઈ છે. આશ્શૂરના રાજાએ પોતાના મુખ્ય લશ્કરી અધિકારીને જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યો છે. તેથી તારા ઈશ્વર પ્રભુ તેના સર્વ નિંદાત્મક શબ્દો લક્ષમાં લઈને તેને ધમકાવે તે માટે તું બચીને બાકી રહેલા લોકો માટે પ્રાર્થના કર.” આમ, હિઝકિયા રાજાના અધિકારીઓ યશાયા પાસે ગયા, ત્યારે યશાયાએ તેમને કહ્યું, “તમારા માલિકને આમ જણાવો. પ્રભુ કહે છે, ‘આશ્શૂરના રાજાના અધિકારીઓએ મારી વિરુદ્ધ ઉચ્ચારેલા શબ્દોથી તું ગભરાઈશ નહિ. હું તેનામાં એક એવો આત્મા મૂકીશ કે તે અફવા સાંભળીને સ્વદેશ પાછો ચાલ્યો જશે અને ત્યાં હું તેને તલવારથી મારી નંખાવીશ.” આશ્શૂરનો મુખ્ય લશ્કરી અધિકારી ત્યાંથી પાછો ફર્યો ત્યારે તેને ખબર પડી કે આશ્શૂરનો રાજા પોતાની છાવણી ત્યાંથી ઉપાડી લઈને હવે લિબ્ના સામે લડી રહ્યો છે. તેથી તે લાખીશથી ત્યાં ગયો. આશ્શૂરના રાજાને સમાચાર મળ્યા કે કુશનો રાજા તિર્હાકા તેમની વિરુદ્ધ યુદ્ધ કરવા ચડી આવ્યો છે. એ સાંભળીને તેણે યહૂદિયાના રાજા હિઝકિયાને આવું કહેવા સંદેશકો મોકલ્યા: “યરુશાલેમ આશ્શૂરના રાજાના કબજામાં નહિ આવે એવું કહીને જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે તે તને છેતરે નહિ તે જોજે. આશ્શૂરના રાજાઓએ બધા દેશોનો નાશ કર્યો છે તે તો તે સાંભળ્યું હશે. તો હવે તું એમ માને છે કે તું બચી જઈશ? મારા પૂર્વજોએ ગોઝાન, હારાન અને રેસેફના પ્રજાજનોનો તથા તલ્લાસારમાં રહેનારા એદેનના વંશજોનો સંહાર કર્યો ત્યારે શું તેમના દેવોએ તેમને બચાવ્યા હતા? હમાથ, આર્પાદ, સફાર્વાઇમ, હેના અને ઇવ્વા નગરોના રાજાઓ કયાં છે?’ હિઝકિયા રાજાએ સંદેશકો પાસેથી એ પત્ર લઈને વાંચ્યો એટલે તે પ્રભુના મંદિરમાં પહોંચી ગયો. પછી તે પત્ર પ્રભુની સમક્ષ ખુલ્લો કરીને તેણે પ્રાર્થના કરી: “હે ઇઝરાયલના ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ, પાંખવાળાં પ્રાણી કરુબો પર બિરાજનાર, તમે એક માત્ર ઈશ્વર છો અને દુનિયાનાં બધાં રાજ્યો તમારી હકૂમત નીચે છે. તમે આકાશ તથા પૃથ્વીના સર્જનહાર છો! હે પ્રભુ, કાન દઈને અમારું સાંભળો અને આંખ ઉઘાડીને અમારા તરફ દષ્ટિ કરો. જીવંત ઈશ્વરનું અપમાન કરતા સાન્હેરીબના સઘળા નિંદાત્મક શબ્દો સાંભળો. હે પ્રભુ, એ તો હકીક્ત છે કે આશ્શૂરના રાજાઓએ ઘણી પ્રજાઓનો નાશ કર્યો છે અને તેમના દેશોને ખેદાનમેદાન કરી નાખ્યા છે. તેમણે તેમના દેવોને અગ્નિમાં નાખીને બાળી નાખ્યા છે; જો કે તેમના દેવો તો દેવો હતા જ નહિ, પણ લાકડા અને પથ્થરમાંથી ઘડેલી માનવી હાથની કૃતિ જ હતા અને તેથી જ તેમણે તેમનો નાશ કર્યો. તો હે અમારા પ્રભુ, અમને આશ્શૂરીઓના હાથમાંથી બચાવો, જેથી દુનિયાની બધી પ્રજાઓ જાણે કે તમે પ્રભુ જ એકમાત્ર ઈશ્વર છો.” ત્યારે આમોઝના પુત્ર યશાયાએ હિઝકિયા રાજાને આ સંદેશો મોકલ્યો: ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે કે આશ્શૂરના રાજા સાન્હેરીબ વિષેની તારી પ્રાર્થના તેમણે સાંભળી છે. પ્રભુએ તેની વિરુદ્ધ આ શબ્દો ઉચ્ચાર્યા છે: “હે સાન્હેરીબ, સિયોનની કુંવારી પુત્રી તારો તુચ્છકાર કરે છે અને તારી હાંસી ઊડાવે છે. યરુશાલેમની પુત્રી તારી સામે પોતાનું માથું ઉગામે છે. તેં કોની નિંદા કરી છે અને કોનું અપમાન કર્યું છે? તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે? કોની સામે તેં મગરૂરીથી જોયું છે? અલબત્ત, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર વિરુદ્ધ જ! તારા સંદેશકો મારફતે તેં પ્રભુની નિંદા કર્યે રાખી છે. વળી, તેં કહ્યું છે કે, ‘મેં મારા રથોથી ઊંચા પર્વતો અને લબાનોનના ઊંચા શિખરો સર કર્યાં છે. ત્યાંનાં ઊંચાં ઊંચાં ગંધતરુઓ અને દેવદારનાં ઉત્તમ વૃક્ષોને કાપી નાખ્યાં છે. હું તેના સૌથી છેવાડાનાં શિખરો પરનાં ગાઢ જંગલોમાં પહોંચી ગયો છું. મેં પરદેશમાં કૂવાઓ ખોદીને તેનાં પાણી પીધાં છે અને મારાં પગલાંથી નાઈલનાં બધાં ઝરણાં સૂકવી નાખ્યાં છે.’ “શું તને ખબર નથી કે આ બધું તો મેં પુરાતનકાળથી નિર્માણ કરેલું હતું? અને મેં પ્રાચીનકાળથી એની યોજના કરી હતી? હવે મેં જ એ પ્રમાણે થવા દીધું છે. મેં તારી પાસે ખંડિયેરના ઢગલા કરાવ્યા છે. ત્યાંના રહેવાસીઓ કમજોર હોવાથી તેઓ હતાશ થઈ ગયા અને શરમાઈ ગયા. તેઓ તો ખેતરમાંના છોડ જેવા, કુમળા લીલા ફણગા જેવા, ધાબા પર ઊગી નીકળતા અને પૂર્વની લૂથી બળી ગયેલા છોડ જેવા હતા. પણ હું તારી સઘળી ઊઠબેસ અને અવરજવર જાણું છું. મારા પરના તારા રોષની મને ખબર છે. એ રોષને લીધે તારી તુમાખીની મને જાણ થઈ છે. તેથી હું તારા નાકમાં કડી ભરાવીને અને તારા મોંમાં લગામ ઘાલીને તું જે માર્ગેથી આવ્યો છે તે જ માર્ગે હું તને પાછો મોકલી દઈશ.” પછી યશાયાએ હિઝકિયા રાજાને કહ્યું, “એની આ નિશાની છે: આ વર્ષે અને આવતે વર્ષે તમે પોતાની મેળે ઊગી નીકળેલું અનાજ ખાશો, પણ તે પછીના વર્ષે તમે વાવણી કરશો અને લણણી કરશો તેમ જ દ્રાક્ષવેલાઓ રોપીને તેની દ્રાક્ષો ખાશો. યહૂદિયાના લોકોમાંથી બચી ગયેલાઓ ફરીથી જમીનમાં ઊંડે મૂળ નાખીને ફળ લાવનાર વૃક્ષની જેમ વૃદ્ધિ પામશે. કારણ, યરુશાલેમમાં અને સિયોન પર્વત પર બચેલા લોક મળી આવશે. સર્વસમર્થ પ્રભુની ઉત્કંઠાને લીધે એ સિદ્ધ થશે.” તે માટે આશ્શૂરના રાજા વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે, “તે આ નગરમાં પ્રવેશ કરશે નહિ કે તેની વિરુદ્ધ એક તીર પણ મારશે નહિ અને નગરની સામે કોઈ મોરચો પણ બાંધશે નહિ. આ નગરમાં પ્રવેશ કર્યા વિના તે જે માર્ગે આવ્યો તે જ માર્ગે પાછો જશે. હું પ્રભુ એ બોલ્યો છું. મારા પોતાના માનને લીધે અને મારા સેવક દાવિદને આપેલા વચનને લીધે હું આ નગરની રક્ષા કરીને તેનો બચાવ કરીશ.” પછી પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. બીજે દિવસે સવારે લોકે જાગીને જોયું તો ત્યાં એમની લાસો પડી હતી. તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ નીનવે પાછો જતો રહ્યો. એક દિવસે તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો ત્યારે તેના બે પુત્રો આદ્રામેલેખે અને શારએસેરે તેને તલવારથી મારી નાખ્યો અને તેઓ અરારાટ પ્રદેશમાં નાસી ગયા. તેના પછી તેના પુત્ર એસાર-હાદ્દોને તેની જગ્યાએ રાજ કર્યું. એ અરસામાં હિઝકિયા રાજા મરણતોલ માંદો પડયો. આમોઝના પુત્ર યશાયા સંદેશવાહકે તેની પાસે જઈને તેને કહ્યું, “પ્રભુ કહે છે, તારા ઘરકુટુંબની વ્યવસ્થા કરી લે. કારણ, તું સાજો થવાનો નથી. તું મરી જઈશ.” હિઝકિયાએ પોતાનું મુખ દીવાલ તરફ ફેરવીને પ્રાર્થના કરી: “હે પ્રભુ, હું સત્યતાથી અને દયની પૂરી નિષ્ઠાથી તમારી સંમુખ જીવ્યો છું અને તમારી દષ્ટિમાં જે સારું છે તે જ કરતો રહ્યો છું. તો તે સંભારો એવી મારી આજીજી છે.” પછી તે બહુ રડયો. ત્યારે પ્રભુએ યશાયાને આજ્ઞા કરી, “તું હિઝકિયા પાસે પાછો જઈને તેને કહે, ‘હું તારા પૂર્વજ દાવિદનો ઈશ્વર છું. મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તારું આયુષ્ય બીજાં પંદર વર્ષ વધુ લંબાવીશ. હું તારું અને યરુશાલેમ શહેરનું આશ્શૂરના રાજાથી રક્ષણ કરીશ અને હું આ શહેરનો પૂરેપૂરો બચાવ કરીશ.” *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** પછી યશાયાએ રાજાને કહ્યું, “ગુમડા પર અંજીરની થેપલી બનાવી બાંધો, એટલે તમે સાજા થઈ જશો.” ત્યારે હિઝકિયા રાજાએ પૂછયું, “હું પ્રભુને મંદિર જઈશ એની શી નિશાની છે?” યશાયાએ જવાબ આપ્યો, “પ્રભુ પોતાનું વચન પાળશે તેની આ નિશાની છે. આહાબ રાજાએ બંધાવેલી સમયદર્શક સીડીમાં પડછાયો દસ પગથિયાં પાછો પડશે.” તેથી સમયદર્શક સીડીમાં પડછાયો દસ પગથિયાં પાછો ગયો. માંદગીમાંથી સાજા થયા પછી યહૂદિયાના રાજા હિઝકિયાએ રચેલું આ સ્તોત્ર છે: મને થયું કે મારે મારા આયુષ્યની અધવચ્ચે જ મૃત્યુલોક શેઓલના દરવાજાઓમાં થઈને જવું પડશે અને મારી આવરદાનાં બાકીનાં વર્ષો છીનવી લેવાયાં છે. મને થયું કે હવે હું જીવતાઓની દુનિયામાં પ્રભુને જોઈશ નહિ. આ દુનિયા પર વસતા કોઈ માણસને હવેથી હું જોઈ શકીશ નહિ. ભરવાડના તંબુની માફક મારું નિવાસસ્થાન ઉખેડીને ફેંકી દેવાયું છે. વણકર કાપડને હાથશાળ પર વીંટાળી લઈ તેને તાણામાંથી કાપી નાખે છે તેમ મેં મારું જીવન સંકેલી લીધું છે, તે કપાઈ ગયું છે. દિવસ પૂરો થઈ રાત પડે ત્યાં સુધીમાં તો તે મને પૂરો કરી નાખશે. સિંહ જાણે મારાં હાડકાં કચરતો ન હોય તેમ હું છેક સવાર થતાં સુધી કણસતો રહ્યો; દિવસ અને રાતમાં તો તમે મને પૂરો કરી નાખશો. હું અબાબીલ કે બગલાની પેઠે ઊંહકારા ભરતો હતો, અને હોલાની જેમ હું શોક કરતો હતો. આકાશો સામે મીટ માંડી માંડીને મારી આંખો થાકી ગઈ. હે પ્રભુ, હું વિપત્તિમાં આવી પડયો છું; મને બચાવો. પણ હું શું કહું? પ્રભુ પોતે જ આ બધું કરનાર છે એવું તેમણે મને કહ્યું છે. મારા દયની વેદનાને લીધે મારી નિદ્રા ચાલી ગઈ છે. હે પ્રભુ, હું માત્ર તમારે માટે જ જીવીશ; તો હવે મને સાજો કરો અને જીવતદાન આપો. તમે મારા દુ:ખને કલ્યાણમાં ફેરવી દેશો. મારા પ્રત્યેના તમારા પ્રેમને લીધે તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢયો છે અને તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ ફેંકી દીધાં છે. કારણ, મૃત્યુલોક શેઓલમાં કોઈ તમારી સ્તુતિ કરી શકતું નથી; મૃત્યુ પામેલાં તમારાં સ્તોત્ર ગાઈ શક્તાં નથી અથવા વિનાશના ખાડામાં જનારાં તમારા વિશ્વાસુપણા પર આશા રાખતાં નથી. આજે જેમ હું કરું છું તેમ માત્ર જીવતા માણસો જ તમારી સ્તુતિ કરી શકે છે અને પિતાઓ પોતાનાં સંતાનોને તમારા વિશ્વાસુપણા સંબંધી જણાવે છે. હે પ્રભુ, તમે મને બચાવ્યો છે, તેથી અમે જિંદગીભર અમારા પ્રભુના મંદિરમાં તંતુવાદ્યો સાથે ગાયા કરીશું. એ સમયે બેબિલોનના રાજા, બાલઅદાનના પુત્ર મેરોદાખ બાલઅદાને સાંભળ્યું કે હિઝકિયા રાજા માંદગીમાંથી સાજો થયો છે. તેથી તેણે તેના પર પત્ર લખીને સાથે ભેટ મોકલી. હિઝકિયાએ સંદેશકોનો આનંદથી આવકાર કર્યો અને તેમને પોતાનો ખજાનો એટલે સોનું, રૂપું, સુગંધીદ્રવ્યો, અત્તરો, લશ્કરી શસ્ત્રસરંજામ અને પોતાના ભંડારોમાં જે જે હતું તે બધું તેણે તેમને બતાવ્યું. તેના મહેલમાં કે તેના રાજ્યમાં એવું કંઈ નહોતું જે તેણે બતાવ્યું ના હોય. ત્યારે સંદેશવાહક યશાયાએ હિઝકિયા રાજાની પાસે જઈને તેને પૂછયું, “આ લોકો ક્યાંથી આવ્યા છે? તેમણે તને શું શું કહ્યું છે?” હિઝકિયાએ જવાબ આપ્યો, “તેઓ દૂર દેશથી, એટલે બેબિલોનથી આવ્યા છે.” યશાયાએ પૂછયું, “તેમણે મહેલમાં શું શું જોયું?” હિઝકિયાએ કહ્યું, “તેમણે બધું જ જોયું છે. ભંડારોમાં એવી એકે ય વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ન હોય.” ત્યારે યશાયાએ રાજાને કહ્યું, “સર્વસમર્થ પ્રભુનો સંદેશ સાંભળો, ‘એવા દિવસો આવશે જ્યારે તારા મહેલમાંનું સર્વસ્વ અને આજપર્યંત તારા પૂર્વજોએ સંગ્રહ કરેલું બધું લૂંટીને બેબિલોન લઈ જવાશે; કશું જ રહેવા દેવાશે નહિ. તારા પોતાના વંશજોમાંથી પણ કેટલાકને લઈ જવામાં આવશે અને બેબિલોનના રાજાના મહેલમાં તેમને વ્યંડળ બનાવીને તેમની પાસે સેવા કરાવાશે.” હિઝકિયા રાજા એ પરથી એવું સમજ્યો કે તેના પોતાના સમયમાં તો શાંતિ અને સલામતી રહેશે. તેથી તેણે જવાબ આપ્યો, “પ્રભુ તરફથી જે સંદેશો મને આપ્યો છે તે સારો છે.” તમારા ઈશ્વર કહે છે, “મારા લોકને આશ્વાસન આપો, તેમને આશ્વાસન આપો! યરુશાલેમના લોકોને હેતથી સમજાવો કે, ‘હવે તમારા દુ:ખના દિવસ પૂરા થયા છે. તમારા પાપનું ઋણ ચૂકવાઈ ગયું છે. કારણ, ઈશ્વરે તમને તમારાં બધાં પાપની બમણી શિક્ષા કરી છે.’ એક વાણી આવું પોકારે છે: “વેરાનપ્રદેશમાં પ્રભુને માટે માર્ગ તૈયાર કરો. ઉજ્જડ પ્રદેશમાં આપણા પ્રભુને માટે સીધો ધોરી રસ્તો બનાવો. પ્રત્યેક ખીણ પૂરી દો; પ્રત્યેક પર્વત અને ડુંગરાને સપાટ બનાવી દો. ખરબચડી જગ્યાઓ સરખી કરી દો અને ખાડાટેકરાવાળો પ્રદેશ સપાટ મેદાન કરી દો. પછી પ્રભુનું ગૌરવ પ્રગટ થશે, અને સમસ્ત માનવજાત તે જોશે. કારણ, એ પ્રભુના મુખની વાણી છે.” વાણી પોકારે છે, “પોકાર પાડ!” મેં પૂછયું, “શાનો પોકાર પાડું?” “એ જ કે સર્વ માણસો ઘાસ જ છે; તેમના રૂપરંગ વગડામાંના ફૂલ જેવાં ક્ષણિક છે: પ્રભુની ફૂંકમાત્રથી ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ કરમાઈ જાય છે. સાચે જ માનવજાત ઘાસ સમાન ક્ષણિક છે. હા, ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ કરમાઈ જાય છે, પણ આપણા ઈશ્વરનો સંદેશ સદાકાળ ટકે છે.” હે શુભસંદેશ લાવનાર સિયોન, ઊંચે પર્વત પર ચડી જા! હે શુભ સમાચાર પાઠવનાર યરુશાલેમ, મોટે સાદે પોકાર! ગભરાયા વિના યહૂદિયાનાં નગરોને ઊંચે સાદે પોકારીને કહે: “જુઓ! આ તમારો ઈશ્વર!” એ સર્વસમર્થ પ્રભુ સામર્થ્યસહિત આવી રહ્યા છે. તે પોતાના બાહુબળથી અધિકાર ચલાવશે. તેમનું ઈનામ અને તેમનું પ્રતિફળ તેમની સાથે છે. તે ઘેટાંપાળકની જેમ પોતાનાં ટોળાંની સંભાળ લે છે, તે હલવાનોને પોતાની બાથમાં લઈ લે છે અને તેમને છાતીસરસાં ચાંપે છે. વિયાયેલી ઘેટીઓને તે ધીરે ધીરે દોરી જાય છે. શું કોઈ પોતાના ખોબાથી દરિયાનાં પાણી માપી શકે? અથવા પોતાની વેંતથી આકાશોને માપી શકે? શું કોઈ પૃથ્વીની ધૂળને માપિયામાં સમાવી શકે? અથવા કોઈ પર્વતો અને ડુંગરોને ત્રાજવામાં તોલી શકે? પ્રભુના મનને કોણ સમજી શકાયું છે? કોણ તેમને સલાહસૂચના આપી શકે? પ્રભુએ ક્યારેય કોઈ વાતનો ખુલાસો મેળવવા કોઈનો સંપર્ક સાયો છે? કોણે તેમને સાચો રસ્તો બતાવ્યો છે? કોણે તેમને જ્ઞાન આપ્યું? કોણે તેમને સમજણનો માર્ગ દર્શાવ્યો? પ્રભુની નજરમાં દેશો ડોલમાંના ટીપાં જેવાં તથા ત્રાજવે ચોંટેલી ધૂળ જેવા છે અને ટાપુઓ તો રજકણ જેવા હલકા છે. લબાનોનનાં જંગલોનાં બધાં પ્રાણીઓ ઈશ્વરને બલિદાન ચડાવવા અને તેનાં વૃક્ષનાં લાકડાં વેદી પર બળતણને માટે બસ નથી. તેમની આગળ દેશો વિસાત વિનાના છે. તે તેમને નહિવત્ ગણે છે. તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કોની સાથે તમે તેમના સ્વરૂપની તુલના કરશો? મૂર્તિ સાથે સરખાવશો? પણ મૂર્તિને તો કારીગર ઢાળે છે અને સોની તેના પર સોનાનો ઢોળ ચડાવે છે તથા તેને શુદ્ધ ચાંદીની સાંકળીઓ પહેરાવે છે! મૂર્તિ બનાવવા સોનુંરૂપું અર્પણ કરી ન શકે તેવા ગરીબ લોકો છેવટે સડી ન જાય એવું લાકડું પસંદ કરે છે અને તેમાંથી સડી ન જાય એવી મૂર્તિ બનાવવા કુશળ કારીગરને શોધે છે. શું તમને ખબર નથી? શું તમે સાંભળ્યું નથી? શું તમને તે આરંભથી કહેવામાં આવ્યું નથી? પૃથ્વીને તેના પાયા પર કેવી રીતે જડવામાં આવી છે તેનો શું તમને ખ્યાલ નથી? પ્રભુ તો પૃથ્વીથી ઊંચે, આકાશના ધુમ્મટની ઉપર રાજ્યાસન પર બિરાજે છે. તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તીડ જેવા છે. તે પડદાની માફક આકાશોને વિસ્તારે છે અને રહેવાના તંબુની જેમ તેમને પ્રસારે છે. તે રાજવીઓને વિસાત વિનાના બનાવી દે છે અને દુનિયાના શાસકોને શૂન્યવત્ કરી નાખે છે. હજી તો તે હમણા જ રોપાયા છે, હમણા જ વવાયા છે; હજી તો તેમનાં મૂળ જમીનમાં બાઝયાં ન બાઝયાં ત્યાં તો પ્રભુ તેમના પર સપાટો લગાવે છે. એટલે તેઓ ચિમળાઈ જાય છે અને તોફાનમાં તરણાની જેમ ઊડી જાય છે. તેથી પવિત્ર ઈશ્વર કહે છે, “તમે કોની સાથે મારી તુલના કરશો?” તમારી દષ્ટિ આકાશ તરફ ઊંચી કરી નિહાળો! આ બધાંને કોણે બનાવ્યા છે? તે બધાં નક્ષત્રોને તેમની નિયત સંખ્યા પ્રમાણે સૈન્યની જેમ દોરે છે અને પ્રત્યેક નક્ષત્રને નામ દઈને બોલાવે છે. તેમનાં મહાન સામર્થ્ય અને અગાધ શક્તિને લીધે બોલાવેલા નક્ષત્રોમાંથી એક પણ તારો ખૂટતો નથી. તો હે યાકોબ, હે ઇઝરાયલ, તું શા માટે ફરિયાદ કરે છે કે “મારો સંકટનો માર્ગ પ્રભુથી છુપાયેલો છે અને મારા ન્યાયી હક્કો મારા ઈશ્વરે લક્ષમાં લીધા નથી.” શું તને ખબર નથી? શું તેં સાંભળ્યું નથી? પ્રભુ તો સનાતન ઈશ્વર છે. તે જ સમસ્ત દુનિયાના સર્જનહાર છે. તે કદી નિર્ગત થતા નથી કે થાક્તા નથી. તેમની સમજણ અગમ્ય છે. તે નિર્ગત થઈ ગયેલાને બળ આપે છે, અને કમજોરને તાક્તવાન બનાવે છે. તરુણ વયના કદાચ થાકીને લોથ થઈ જાય અને ભરજુવાનીમાં આવેલા ઠોકર ખાઈને પડી જાય, પણ મદદ માટે પ્રભુ પર આશા રાખનારાઓ નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે. તેઓ દોડશે, પણ થાકશે નહિ; તેઓ આગળ વધશે, પણ નિર્ગત થશે નહિ. ઈશ્વર કહે છે, “હે ટાપુઓ, મારી આગળ શાંત થાઓ! પ્રજાઓ પોતાની તાક્ત એકઠી કરે! તેઓ આગળ આવીને પોતાનો દાવો રજૂ કરે. આવો, અદાલતમાં એકત્ર થઈ તેનો નિકાલ લાવીએ.” કોણે પૂર્વના એક રાજાને ઉશ્કેરીને પોતાના ન્યાયીપણાના પ્રતિપાદન અર્થે બોલાવ્યો છે? કોણે પ્રજાઓને તેના હાથમાં સોંપી દીધી છે? કોણે રાજાઓને એને તાબે કરી દીધા છે? તે પોતાની તલવારથી તેમને ધૂળમાં મેળવી દે છે અને પોતાનાં તીરોથી તેમને ઊડી જતા તરણા જેવા કરી નાખે છે. તે તેમનો પીછો કરે છે અને સહીસલામત રીતે આગેકૂચ કરે છે. તેના પગ પણ જમીનને સ્પર્શતા ન હોય તેટલી ઝડપથી તે આગળ વધે છે. આરંભથી જ આવનાર પેઢીઓનું ભાવિ નિર્માણ કરનાર કોણ છે? એ તો હું પ્રભુ છું. હું આદિ છું, અને જે અંતિમ હશે તેની સાથે પણ હું જ હોઈશ.” એ જોઈને ટાપુઓ ગભરાયા અને પૃથ્વીના છેડેછેડા ધ્રૂજી ઊઠયા. ત્યાંના બધા લોક આવીને ભેગા થાય છે. સૌ એકબીજાને મદદ કરે છે અને પ્રત્યેક પોતાના સાથીને પ્રોત્સાહન આપે છે. મૂર્તિને હથોડીથી ટીપી ટીપીને લીસી બનાવનાર એરણ પર ઘણ મારનારને ઉત્તેજન આપતાં કહે છે. “રેણ સારું થયું છે.” આમ, તેમણે મૂર્તિને ગબડી ન પડે એ રીતે ખીલાથી સજ્જડ જડી દીધી. પણ હે મારા સેવક ઇઝરાયલ, હે યાકોબ, મારા મિત્ર અબ્રાહામના સંતાન, મેં તને પસંદ કર્યો છે. હું તને પૃથ્વીના છેડેછેડેથી લઈ આવ્યો છું. મેં તને દૂરદૂરના ખૂણેખૂણેથી બોલાવ્યો છે. મેં તને કહ્યું કે તું મારો સેવક છે. મેં તને પસંદ કર્યો છે અને તારો નકાર કર્યો નથી. તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ. તારા પર રોષે ભરાયેલ સૌને અપમાનિત થઈને શરમાવું પડશે. તારા વિરોધીઓ નેસ્તનાબૂદ થઈ જશે. તું તારા શત્રુઓને શોધે તો ય જડશે નહિ. તારી વિરુદ્ધ લડનારા નહિવત્ થઈ જશે. હું તારો ઈશ્વર પ્રભુ છું, હું તારો જમણો હાથ પકડી રાખતાં કહું છું કે બીશ નહિ, હું તને સહાય કરીશ.” પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, તું તો કીડા સમાન નાજુક અને નિર્બળ છે. હે યાકોબ, તું નાનો છે, પણ બીશ નહિ; હું પવિત્ર ઈશ્વર તારો છોડાવનાર છું; હું તને મદદ કરીશ. હું તને તીક્ષ્ણ અને ધારદાર દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવીશ. હું પર્વતોને મસળીને તેમના ચૂરેચૂરા કરી નાખીશ અને ડુંગરોને ભૂસા જેવા બનાવી દઈશ. તું તેમને પવનમાં ઉપણશે. પવન તેમને ઉડાડીને લઈ જશે અને વંટોળિયાથી તેઓ વેરવિખેર થઈ જશે. ત્યારે હું તારો ઈશ્વર છું એ વાતમાં તું આનંદ કરીશ. તું ઇઝરાયલના પવિત્ર ઈશ્વરમાં ગૌરવ લઈશ. જ્યારે મારા દીનદુ:ખિયા લોકોને પાણીની શોધ કર્યા છતાં ક્યાંયે ન મળતાં તેમની જીભ તરસને લીધે સુકાઈ જાય ત્યારે હું તેમની પ્રાર્થનાનો જવાબ આપીશ. હું ઇઝરાયલનો ઈશ્વર તેમને ત્યજી દઈશ નહિ. વેરાન ડુંગરો પર હું નદીઓ વહાવીશ અને ખીણોમાં ઝરણાં વહાવીશ. હું રણપ્રદેશને પાણીના તળાવમાં અને સૂકી ભૂમિને ઝરણામાં ફેરવી નાખીશ. હું વેરાનપ્રદેશમાં ગંધતરુ, બાવળ, મેંદી અને તૈલીવૃક્ષ રોપીશ; હું પડતર જમીનમાં દેવદાર, ભદ્રાક્ષ અને સરુનાં વૃક્ષ સાથેસાથે ઉગાવીશ. લોકો એ જોઈને જાણે અને વિચાર કરીને સમજે કે મેં પ્રભુએ પોતાને હાથે એ કર્યું છે; ઇઝરાયલના પવિત્ર ઈશ્વરે એનું સર્જન કર્યું છે.” પ્રભુ, યાકોબનો રાજા, આ પ્રમાણે કહે છે: “હે પ્રજાઓના દેવો, તમારો દાવો રજૂ કરો.” અહીં આવો અને ભવિષ્યમાં શું બનવાનું છે તે કહો. પ્રથમ ભૂતકાળમાં બનેલા બનાવોની વિગત જણાવો, જેથી અમે તે પર વિચાર કરીએ અને તેમનું આખરી પરિણામ શું આવ્યું તે જાણીએ; ત્યારબાદ હવે પછી શું બનવાનું છે તે કહો. ભાવિમાં શું નિર્માયું છે તે કહો એટલે તમે દેવો છો કે નહિ તેનો અમને ખ્યાલ આવે. કંઈક સારું કરીને અથવા કોઈ આફત ઉતારીને અમને બીક તથા આશ્ર્વર્ય પમાડો. તમે નહિવત્ છો અને તમારાં કાર્યો શૂન્યવત્ છે. તમને દેવ માનનારા તુચ્છકારને પાત્ર છે. “મેં પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે, તે તમારા પર ઉત્તર તરફથી આક્રમણ કરશે. કોઈ ગારો ગૂંદે અથવા કુંભાર માટીને ગૂંદે તેમ તે રાજાઓને કચડી નાખશે. તમારામાંથી કોણે અમને અગાઉથી આની જાણ કરી છે કે તે સાચો છે તેની અમને ખબર પડે? કોઈએ કંઈ કહ્યું નથી. કોઈએ કશી આગાહી કરી નથી. કોઈ એક શબ્દ પણ બોલ્યું નથી. એ તો મેં પ્રભુએ સૌપ્રથમ સિયોનને શુભ સમાચાર જણાવ્યા છે. મેં યરુશાલેમમાં સંદેશક મોકલીને તેમને કહેવડાવ્યું છે, ‘અરે, આ રહ્યા તમારા લોક!’ મેં જ્યારે દેવો તરફ જોયું તો કોઈ સલાહ દેનાર દેખાયો નહિ, અને મેં પૂછેલા પ્રશ્ર્નોનો કોઈએ જવાબ આપ્યો નહિ. આ તો બધા જૂઠા દેવો છે; તેમનાં કામ નહિવત્ છે. તેમની મૂર્તિઓ ખાલી પવન જેવી શૂન્યવત્ છે.” પ્રભુ કહે છે, “આ મારો સેવક છે; હું તેને ધરી રાખું છું. મેં તેને પસંદ કર્યો છે; હું તેના પર પ્રસન્‍ન છું. મેં તેને મારા આત્માથી ભરપૂર કર્યો છે અને તે બધા દેશોમાં ન્યાય પ્રવર્તે તેવું કરશે. તે પોકાર પાડશે નહિ કે બૂમ પાડશે નહિ અથવા શેરીઓમાં ઊંચે સાદે બોલશે નહિ. તે છૂંદાયેલા બરુને ભાંગી નાખશે નહિ અને હોલવાઈ જવાની તૈયારીમાં હોય તેવી દિવેટને બૂઝાવી દેશે નહિ. તે સૌનો સમાન અને સાચા ધોરણે ન્યાય કરશે. તે નિરાશ કે નિરુત્સાહી થયા વિના પૃથ્વી પર ન્યાયની પ્રતિષ્ઠા કરશે. દૂરના ટાપુઓ તેના શિક્ષણની રાહ જોશે.” ઈશ્વરે આકાશો ઉત્પન્‍ન કરીને તેમને પ્રસાર્યાં છે; તેમણે પૃથ્વીને તેમ જ તેમાં થતી નીપજને વિસ્તાર્યાં છે. તેમણે પૃથ્વીના બધા લોકમાં અને તેની પરના બધા સજીવોમાં પ્રાણ પૂર્યો છે. એ જ ઈશ્વર પ્રભુ પોતાના સેવકને કહે છે: “મેં પ્રભુએ તને પૃથ્વી પર ન્યાયની પ્રતિષ્ઠા અર્થે બોલાવ્યો છે. હું તારો હાથ પકડી રાખીશ અને તને સંભાળીશ. તું બધા લોકોની સાથેના મારા કરારરૂપ બનીશ અને વિદેશીઓમાં તું પ્રકાશરૂપ બની રહીશ. તું અંધજનોની આંખો ઉઘાડશે અને બંદીખાનામાંથી કેદીઓને અને કેદની કોટડીના અંધકારમાં બેઠેલાઓને મુક્ત કરીશ. હું યાહવે છું; એ જ મારું નામ છે. હું મારા મહિમામાં અન્ય દેવોને અને મારી સ્તુતિમાં મૂર્તિઓને ભાગીદાર થવા દઈશ નહિ. જે બાબતો મેં અગાઉ કહી હતી તે હવે સાચી પડી છે. હવે બીજી નવી બાબતો બને તે પહેલાં હું તને તે કહી સંભળાવું છું.” પ્રભુના માનમાં નવું ગીત ગાઓ! સમસ્ત પૃથ્વી, સૌ સમુદ્રમાં સફર કરનારા અને સાગરના સઘળા સજીવો, દૂરના ટાપુઓ અને તેમના પરના રહેવાસીઓ, તમે સૌ તેમની સ્તુતિ કરો. વેરાન પ્રદેશ અને તેમાંનાં નગરો, તમે તમારો સાદ ઊંચો કરો. કેદારના લોકના સઘળા વસવાટો, તમે ખુશી મનાઓ. સેલા નગરના લોકો પર્વતના શિખરેથી આનંદના પોકાર કરો. દૂરના ટાપુઓના રહેવાસીઓ, પ્રભુનું સન્માન કરો અને તેમની સ્તુતિ કરો. પ્રભુ શૂરવીર સૈનિકની જેમ લડાઈમાં ઝંપલાવે છે. તેમને યોદ્ધાની જેમ શૂરાતન ચડે છે. તે લલકાર કરે છે અને રણનાદ જગાવે છે. તે પોતાના દુશ્મનોને પોતાની તાક્તનો પરચો કરાવે છે. ઈશ્વર કહે છે, “હું લાંબો સમય શાંત રહ્યો છું, મેં મૌન જાળવ્યું છે અને પોતાને કાબૂમાં રાખ્યો છે; પણ હવે કષ્ટાતી પ્રસૂતાની જેમ ચડી ગયેલે શ્વાસે હાંફતાં હાંફતાં બૂમ પાડીશ. હું પર્વતો અને ડુંગરાઓને ઉજ્જડ બનાવી દઈશ અને તેમની સઘળી લીલોતરીને સૂકવી નાખીશ. હું નદીઓને રણપ્રદેશમાં ફેરવી દઈશ અને સરોવરોને સૂકવી નાખીશ. હું અંધજનોને તેઓ જાણતા નથી તેવે માર્ગે દોરીશ અને તેમને અપરિચિત રસ્તા પર ચલાવીશ. તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં પલટી નાખીશ અને ખાડાટેકરાવાળાં સ્થાનોને સપાટ બનાવી દઈશ. હું એ બધાં કામ કરવાનો છું અને તેમને પડતાં મૂકવાનો નથી. મૂર્તિઓ પર ભરોસો રાખનારાઓ અને તેમને પોતાના દેવો કહેનારાઓ શરમાઈને ભાગી જશે.” પ્રભુ કહે છે, “હે બહેરા, સાંભળો! હે આંધળાઓ, નિહાળો! મારા સેવક સિવાય બીજો કોણ આંધળો છે? મારા સંદેશક સિવાય બીજો કોણ બહેરો છે? પ્રભુને સમર્પિત સેવક જેવો બીજો કોણ આંધળો હોય? તેં ઘણી બાબતો જોઈ છે, પણ તે પર લક્ષ આપ્યું નથી. તારા કાન ખુલ્લા છે, પણ તું કંઈ સાંભળતો નથી.” પોતાના લોકને બચાવવાના દઢ ઇરાદાથી પ્રભુએ પોતાના નિયમોને મહત્તા આપી અને તેમના લોક એ નિયમોને માન આપે એમ ઈચ્છયું. પણ તેમના લોક તો ખુવાર થયા છે અને લૂંટાયા છે. તેઓ ખાડામાં ફસાયા છે અને કેદખાનામાં પૂરાયા છે. તેઓ શિકાર થઈ પડયા છે અને તેમની વહારે આવનાર કોઈ નથી. તેઓ લૂંટરૂપ થઈ પડયા છે, અને ‘તેમને છોડી દો’ એવું કહેનાર કોઈ નથી. તમારામાંથી હવે કોણ મારી વાત સાંભળશે? હવેથી કોણ મારા કહેવા પર લક્ષ આપશે? કોણે યાકોબને લૂંટરૂપ કર્યો? કોણે ઇઝરાયલીઓને લૂંટારાઓના હાથમાં સોંપી દીધા? એવું કરનાર તો પ્રભુ છે. આપણે તેમની વિરુદ્ધ પાપ કર્યું છે અને તેમના માર્ગોમાં ચાલ્યા નથી. આપણે તેમના નિયમોને આધીન થયા નથી. તેથી તેમણે પોતાનો ઉગ્ર ક્રોધ વરસાવ્યો છે અને યુદ્ધની આફત ઉતારી છે. જ્વાળાઓ આપણને વીંટાઈ વળી, પણ આપણે સમજ્યા નહિ. આપણે આગમાં સળગી ગયા, પણ તેમાંથી કંઈ બોધપાઠ લીધો નહિ. પણ હવે હે યાકોબ, ઓ ઇઝરાયલ, તારા સર્જનહાર તથા તને ઘડનાર પ્રભુ આમ કહે છે; “તું બીશ નહિ; કારણ, મેં તારો ઉદ્ધાર કર્યો છે. મેં તને તારું નામ દઈને બોલાવ્યો છે; તું મારો છે. તું ઊંડા પાણીમાં થઈને પસાર થઈશ ત્યારે હું તારી સાથે રહીશ; તું નદીઓમાં થઈને ચાલીશ ત્યારે તેનાં પાણી તારા પર ફરી વળશે નહિ, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને ઊની આંચ લાગશે નહિ અને જ્વાળાઓ તને સળગાવી શકશે નહિ. કારણ, હું પ્રભુ તારો ઈશ્વર છું. હું ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર, તારો ઉદ્ધારક છું. તારા મુક્તિમૂલ્ય તરીકે મેં ઇજિપ્ત આપ્યું છે અને તારે બદલે મેં કૂશ તથા સબા આપ્યાં છે. તું મારે મન બહુ મૂલ્યવાન અને સન્માનપાત્ર છે અને મને તારા પર પ્રેમ છે. તેથી તો હું તારે બદલે માણસો અને તારા જીવના બદલામાં પ્રજાઓ આપીશ. “તું બીશ નહિ, હું તારી સાથે છું. હું તારા વંશજોને પૂર્વમાંથી લાવીશ અને તમને પશ્ર્વિમમાંથી લાવીને તમારા વતનમાં એકઠા કરીશ. હું ઉત્તરને કહીશ, ‘તેમને છોડી મૂક’ અને દક્ષિણને કહીશ, ‘તેમને રોકીશ નહિ.’ મારા પુત્રોને દૂર દેશાવરોથી અને મારી પુત્રીઓને પૃથ્વીને છેડેછેડેથી પાછાં લાવો. તેઓ મારે નામે ઓળખાતા મારા લોક છે અને મારા મહિમાર્થે મેં તેમને સર્જ્યા છે, ઘડયા છે અને નિર્માણ કર્યા છે.” ઈશ્વર કહે છે, “મારા લોકને મારી આગળ રજૂ કરો. તેઓ છતી આંખોએ આંધળા છે અને છતે કાને બહેરા છે. બધી પ્રજાઓ એકઠી થાય અને લોકો ભેગા મળે. તેમના કયા દેવે આ વાત અગાઉથી જાહેર કરી હતી? બની ચૂકેલી ઘટનાઓ વિષે કોણે પહેલેથી કહ્યું હતું? એ વિષે પોતે સાચા છે એવું પુરવાર કરવા માટે તેઓ સાક્ષીઓ રજૂ કરે; જેથી બીજાઓ તેમને સાંભળીને તેમનું કહેવું સાચું છે કે કેમ તેનું સમર્થન આપે.” પ્રભુ કહે છે, “હે ઇઝરાયલી લોકો, મારા સાક્ષીઓ તો તમે છો. મેં તમને મારા સેવક થવા પસંદ કર્યા છે; જેથી તમે મને ઓળખો, મારા પર ભરોસો રાખો અને માત્ર હું જ ઈશ્વર છું એવું સમજો. મારા સિવાય બીજો કોઈ દેવ નથી; કોઈ દેવ થયો નથી અને થવાનો પણ નથી. ફક્ત હું જ પ્રભુ છું; મારા સિવાય કોઈ ઉદ્ધારક નથી. મેં જ અગાઉથી એની આગાહી કરી હતી; અને તમારા કોઈ વિધર્મી દેવે નહિ, પણ મેં જ તમારો ઉદ્ધાર કર્યો છે. તેથી તમે મારા સાક્ષીઓ છો કે હું જ ઈશ્વર છું; હું અનાદિ ઈશ્વર છું. મારા હાથમાંથી કોઈ છોડાવી શકે તેમ નથી. મારા કાર્યને કોઈ નિરર્થક કરી શકતું નથી.” ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, તમારા ઉદ્ધારક પ્રભુ આમ કહે છે, “હું તમને બચાવી લેવાને બેબિલોનની સામે સૈન્ય મોકલીશ. હું નગરના દરવાજાઓના કકડેકકડા કરી નાખીશ અને ત્યાંના ખાલદી લોકોનો વિજયનો લલકાર વિલાપમાં ફેરવાઈ જશે. હું પ્રભુ તમારો ઈશ્વર છું; હું ઇઝરાયલનો સર્જનહાર છું.” પ્રભુ કહે છે, “કોણે સમુદ્રમાં થઈને માર્ગ કર્યો અને કોણે જબરાં પાણીમાં થઈને રસ્તો બનાવ્યો? કોણે રથો, ઘોડા અને ચુનંદા સૈનિકો સહિતના સૈન્યનો નાશ કર્યો? ફરી પાછા ઊઠે નહિ એ રીતે તેઓ ઢળી પડયા. તેઓ દીવાની જ્યોતની જેમ બૂઝાઈ ગયા.” પ્રભુ કહે છે, “છતાં ભૂતકાળના બનાવો સંભારશો નહિ અને અગાઉ બની ચૂકેલી ઘટનાઓ લક્ષમાં લેશો નહિ. જુઓ, હું નવું કાર્ય કરું છું. હવે તે પ્રગટ થઈ રહ્યું છે. શું તમે તે જોઈ શક્તા નથી? હું વેરાનપ્રદેશમાં માર્ગ તૈયાર કરું છું અને રણપ્રદેશમાં નદીઓ વહેતી કરું છું. વન્ય પ્રાણીઓ પણ મારું સન્માન કરે છે. શિયાળ અને શાહમૃગ મારી સ્તુતિ કરે છે; કારણ, હું વેરાનપ્રદેશને પાણી પૂરું પાડું છું અને રણપ્રદેશમાં ઝરણાં વહાવું છું. મેં આ લોકને મારે પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે.” પ્રભુ કહે છે, “હે યાકોબ, તેં મારી ઉપાસના કરી નથી; હે ઇઝરાયલ, તું મારાથી જાણે ત્રાસી ગયો છે. તું મારી પાસે તારા ઘેટાંનાં દહનબલિ લાવ્યો નથી. તારા યજ્ઞો વડે તેં મને માન આપ્યું નથી. મેં પણ ખાદ્યાર્પણ માગીને તારા પર બોજ મૂક્યો નથી, અને ધૂપ માગીને તને પરેશાન કર્યો નથી. તેં પૈસા ખર્ચીને મારે માટે ધૂપ વેચાતું લીધું નથી અને તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી. એને બદલે, તેં તો તારા પાપનો બોજ મારા પર મૂક્યો છે અને તારા અન્યાયોથી મને ત્રાસ પમાડયો છે. છતાં મારી પોતાની ખાતર તમારા અપરાધ ભૂંસી નાખનાર હું જ છું. હું તમારાં પાપ તમારી વિરુદ્ધમાં સંભારીશ નહીં. તો હવે મને મારી વિરુદ્ધના તમારા આક્ષેપોની યાદ તાજી કરાવો કે જેથી આપણે સામસામી દલીલ કરીએ. તમારો દાવો રજૂ કરો અને પોતાને નિર્દોષ પુરવાર કરો. તમારા આદિ પિતાએ પાપ કર્યું છે અને તમારા આગેવાનોએ પણ મારી વિરુદ્ધ પાપ કર્યું છે. તમારા રાજાઓએ મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું છે, તેથી હું ઇઝરાયલ પર વિનાશ લાવ્યો છું અને મારા પોતાના લોકને મેં નિંદાપાત્ર થવા દીધા છે.” પ્રભુ કહે છે, હે ઇઝરાયલ, મારી પ્રજા, હે યાકોબ, મારા સેવક, તું સાંભળ. હું પ્રભુ તારો સર્જનહાર છું, ગર્ભસ્થાનમાં તને ઘડનાર હું જ તારો મદદગાર છું. હે યાકોબ, મારા સેવક, મારી પસંદ કરેલી પ્રજા યશુરૂન, તું ડરીશ નહિ. કારણ, હું તરસી ભૂમિ પર પાણી રેડીશ અને સૂકી ભૂમિ પર વરસાદ વરસાવીશ. હું તારાં સંતાન પર મારો આત્મા રેડીશ અને તારા વંશજો પર આશિષની વૃષ્ટિ કરીશ. તેઓ સારી પેઠે પાણી પાયેલા ઘાસની જેમ અને ઝરણાંની પાસે ઊગી નીકળતા વેલાની જેમ વૃદ્ધિ પામશે. ત્યારે લોકોમાંથી એક જણ કહેશે, ‘હું પ્રભુનો છું;’ બીજો યાકોબનું નામ ધારણ કરશે; અને ત્રીજો પોતાના હાથ પર ‘પ્રભુને સમર્પિત’ એવી છાપ મરાવશે, અને ‘ઇઝરાયલ’ એવી અટક રાખશે.” ઇઝરાયલનો રાજા અને ઉદ્ધારક સર્વસમર્થ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું આદિ છું; હું જ અંત છું. મારા સિવાય બીજો કોઈ દેવ નથી. મારા જેવો કોણ છે? જો હોય તો તેની જાહેરાત કરે. તે પોતાને પ્રગટ કરે અને મારી સમક્ષ ખડો થાય. મેં મારા પ્રાચીન લોકને સંસ્થાપિત કર્યા ત્યારથી માંડીને શું શું બન્યું છે તે તે કહી સંભળાવે. વળી, હવે પછી શું બનવાનું છે તે પણ કહે. હે મારા લોક, ભયભીત થશો નહિ કે બીશો નહિ. શું મેં એ બધું પ્રાચીન સમયથી જાહેર કરેલું નથી? તમે પોતે મારા સાક્ષીઓ છો. શું બીજો કોઈ દેવ છે? ના, બીજો કોઈ એવો આશ્રયનો ખડક નથી. હું તો એવા બીજા કોઈને જાણતો નથી.” મૂર્તિઓ ઘડનારા નહિવત્ છે. તેમના કિંમતી દેવો કશા કામના નથી. તેમના એ સાક્ષીઓ જોતા નથી કે જાણતા નથી, તેથી તેમણે લજવાવું પડશે. જેનાથી કંઈ હિત થતું નથી એવો દેવ કોણ બનાવે? કોણ મૂર્તિને ઢાળે? સર્વ મૂર્તિપૂજકો લજ્જિત થશે. મૂર્તિના કારીગરો માણસમાત્ર છે. તેઓ સૌ આવીને રજૂ થાય. તેઓ સૌ થથરી જશે અને લજ્જિત થશે. ધાતુના ટુકડાને ઘડવા માટે લુહાર તેને અગ્નિમાં તપાવે છે. તે હથોડાથી ટીપીટીપીને મૂર્તિને ઘડે છે. તે પોતાના બાહુબળથી તેને ઘાટ આપે છે. દરમ્યાનમાં, જો તે ભૂખ્યો થાય તો તે થાકી જાય છે અને તેને તરસ લાગે તો તે નિર્ગત થાય છે. સુથાર લાકડાનું ગરુના રંગથી માપ લે છે. તે દોરીથી મૂર્તિની રૂપરેખા દોરે છે. પછી ફરસીથી તેને કોતરી કાઢે છે. એ પછી પોતાના ઓજારની મદદથી તેને માણસનો આકાર આપે છે. એટલે દેવાલયમાં મૂકવા માટે માણસના રૂપમાં મૂર્તિ તૈયાર થાય છે. તેને માટે તે ગંધતરુનું લાકડું કાપે છે અથવા વનનાં વૃક્ષોમાંથી રાયણ કે ઓકવૃક્ષનું લાકડું પસંદ કરી લઈ આવે છે. તે ગંધતરુનું વૃક્ષ રોપે છે અને વરસાદથી તે મોટું થાય છે. એ વૃક્ષનાં લાકડાં માણસો માટે બળતણના કામમાં આવે છે. માણસ થોડાં લાકડાં સળગાવી તાપે છે. વળી, તેનાથી અગ્નિ પેટાવી તે પર રોટલી શેકે છે. એ જ લાકડામાંથી તે દેવ ઘડીને તેની પૂજા કરે છે; તે મૂર્તિ બનાવી તેની આગળ નમે છે. આમ, તે કેટલાક લાકડાંનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. તેનાથી તે પોતાનો ખોરાક રાંધે છે અને માંસ શેકે છે અને ખાઈને તૃપ્ત થાય છે. તે તાપણું કરી તાપે છે અને કહે છે, “કેવી સરસ ગરમી લાગે છે! હવે મને હૂંફ મળી!” બાકીના લાકડામાંથી તે કોઈ દેવની કોરેલી મૂર્તિ બનાવે છે, તેને પગે લાગીને તેની પૂજા કરે છે. તે તેની પ્રાર્થના કરે છે અને કહે છે, “મને બચાવ; કારણ, તું મારો દેવ છે!” આવા લોકો કંઈ જાણતા કે સમજતા નથી. તેમની આંખો પર લેપ લગાવ્યો હોઈ તેઓ જોઈ શક્તા નથી. તેમનાં મન એવાં જડ થઈ ગયાં છે કે તેઓ સમજતા નથી. એ લોકોમાંથી કોઈ વિચારતું નથી અથવા કોઈનામાં એવું કહેવાને જ્ઞાન કે સમજણ નથી કે, “મેં લાકડાના કેટલાક ભાગનો બળતણ તરીકે ઉપયોગ કર્યો; તેના અંગારા પર મેં રોટલી શેકીને તથા માંસ પકાવીને ખાધું, તો હવે હું બાકીના લાકડામાંથી તિરસ્કારપાત્ર મૂર્તિ બનાવું? એમ કરીને શું હું લાકડાના ટુકડાને પગે પડું?” એ તો રાખ ખાવા જેવું છે. તેના મૂઢ મને તેને ભમાવ્યો છે, તેને માટે બચવાનો આરો નથી. કારણ, “તમારા જમણા હાથમાંની મૂર્તિ તો જૂઠી વસ્તુ છે,” એવું તે સ્વીકારી શક્તો નથી. પ્રભુ કહે છે, “હે યાકોબ, હે ઇઝરાયલ, આટલું યાદ રાખ કે મેં તને મારો સેવક બનાવ્યો છે. હે ઇઝરાયલ, તું મારો સેવક છે, તેથી હું તને કદી વીસરી જઈશ નહિ. મેં વાદળની જેમ તારાં પાપ અને સવારના ધૂમ્મસની જેમ તારા અપરાધ ભૂંસી નાખ્યાં છે. મારી તરફ પાછો ફર; કારણ મેં તારો ઉદ્ધાર કર્યો છે.” હે પૃથ્વીનાં ઊંડાણો, તમે જયઘોષ કરો! હે પર્વતો અને વન તથા તેમાંનાં બધાં વૃક્ષો, તમે આનંદનાં ગીત ગાવા માંડો! કારણ, પ્રભુએ યાકોબનો ઉદ્ધાર કર્યો છે અને ઇઝરાયલમાં પોતાનો મહિમા પ્રગટ કર્યો છે. તને ગર્ભસ્થાનમાં ઘડનાર, તારા ઉદ્ધારક પ્રભુ આમ કહે છે: હું પ્રભુ છું. હું સકળ સૃષ્ટિનો સર્જનહાર છું. મેં એકલાએ આકાશોને પ્રસાર્યાં છે. મેં જાતે જ પૃથ્વીને વિસ્તારી છે. હું જૂઠા ભવિષ્યવેત્તાઓએ આપેલા સંકેતો ખોટા ઠરાવું છું અને જોશ જોનારાઓને બેવકૂફ બનાવું છું. હું જ્ઞાનીઓનાં જ્ઞાનને ઊંધા વાળું છું અને તેમની વિદ્યાને મૂર્ખાઈ ઠરાવું છું. પણ મારા સેવકોનાં ભવિષ્યકથનોને તો હું સાચાં ઠરાવું છું અને મારા સંદેશવાહકોએ ભાખેલી ભાવિ યોજનાઓ પાર પાડું છું. હું યરુશાલેમને કહું છું: ‘તારે ત્યાં ફરીથી લોકો વસશે,’ અને યહૂદિયાનાં નગરોને કહું છું: ‘તમે ફરીથી બંધાશો. તમને તમારાં ખંડિયેરોમાંથી બાંધવામાં આવશે.’ હું સમુદ્રને કહું છું, ‘તું સુકાઈ જા, હું તારામાં વહેતી નદીઓને ય સૂકવી નાખીશ.’ હું કોરેશને કહું છું, ‘તું મારા લોકનો ઘેટાંપાળક છે. તું મારા મનની બધી ઇચ્છાઓ પૂરી કરશે. તું આજ્ઞા આપીશ કે યરુશાલેમ ફરીથી બંધાય અને મંદિરનો પાયો ફરીથી નંખાય.” પ્રભુ કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે. પ્રજાઓ તેને તાબે કરવા અને રાજાઓની સત્તા આંતરી લેવા મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે.તેની આગળ હું બધાં નગરોના દરવાજા ખોલી દઈશ; એક પણ બંધ નહિ રહે.” પ્રભુ કોરેશને કહે છે, “હું જાતે તારો માર્ગ તૈયાર કરીશ. પર્વતો અને ડુંગરોને હું સપાટ કરી દઈશ. હું તાંબાના દરવાજાઓને તોડી નાખીશ અને તે પરના લોખંડના પટ્ટા કાપી નાખીશ. હું તને અંધારી ગુપ્ત જગ્યાઓમાં છુપાયેલા ખજાના આપીશ, જેથી તું જાણે કે હું પ્રભુ છું, અને તને નામ દઈને બોલાવનાર તો હું, ઇઝરાયલનો ઈશ્વર છું. મારા સેવક યાકોબને ખાતર તથા મારા ઇઝરાયલ લોકને મદદ કરવા મેં તને નામ દઈને બોલાવ્યો છે. જો કે તું મને ઓળખતો નથી છતાં મેં તને ઈલ્કાબ એનાયત કરી તારું બહુમાન કર્યું છે. હું પ્રભુ છું. મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. જો કે તું મને ઓળખતો નથી છતાં હું તને બળવાન કરીશ, જેથી ઉદયાચળથી અસ્તાચળ સુધી સૌ કોઈ જાણે કે બીજો કોઈ નહિ, પણ હું પ્રભુ જ ઈશ્વર છું, અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. હું પ્રકાશનો ર્ક્તા છું અને અંધકારનો સર્જક છું. આશિષ અને આફત એ બન્‍ને ઉતારનાર હું જ છું. હું પ્રભુ એ બધું કરું છું. “ઓ આકાશો, વરસાવો! ઓ વાદળો, વરસી પડો! તમે મુક્તિદાયક વિજય વરસાવો. હે પૃથ્વી, તું એનાં જળ ઝીલી લે. એમાંથી મુક્તિના ફણગા ફૂટી નીકળો અને તેની સાથે વિજય વૃદ્ધિ પામો. અલબત્ત, એ ઉગાડનાર હું પ્રભુ છું.” પોતાના બનાવનારની સાથે વાદવિવાદ કરનારની કેવી દુર્દશા થશે! તે તો માટીનાં પાત્રોમાંનું એક પાત્ર જ છે. શું માટી કુંભારને પૂછી શકે કે, “તું શું બનાવે છે?” અથવા શું તારી કૃતિ તને કહી શકે કે, “તારામાં આવડત નથી?” શું કોઈ પોતાના પિતાને એમ કહેશે કે, “તેં મને આવો કેમ જનમાવ્યો?” શું કોઈ પોતાની માતાને એમ કહેશે કે, “તું કોને જન્મ આપવા કષ્ટાય છે?” તેથી ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, એને ઘડનાર પ્રભુ કહે છે, “શું તમે મને મારાં બાળકોના ભાવિ વિષે પ્રશ્ર્ન પૂછશો? શું તમે મને મારા હાથનાં કામ વિષે સૂચના આપશો? પૃથ્વીનું સર્જન કરનાર અને માનવજાતને ઉત્પન્‍ન કરીને તેમાં વસાવનાર તો હું છું. મેં મારે હાથે આ આકાશોને પ્રસાર્યાં છે. હું તેનાં નક્ષત્રમંડળોને નિયંત્રિત કરું છું. કોરેશને વિજયપ્રાપ્તિને અર્થે ઊભો કરનાર અને તેની આગળ તેના બધા માર્ગો સીધા સરળ કરી દેનાર હું છું. તે મારા શહેર યરુશાલેમને બાંધશે અને કોઈપણ જાતના મૂલ્ય કે બદલા વિના તે મારા બંદીવાન લોકને સ્વતંત્ર કરશે.” આ તો સર્વસમર્થ પ્રભુનાં ઉચ્ચારેલાં વચનો છે. પ્રભુ ઇઝરાયલને આ પ્રમાણે કહે છે, “ઇજિપ્તની પેદાશ અને કુશનો વ્યાપારી માલ તારાં થશે; સબાઇમના કદાવર લોકો તારા ગુલામ બનશે. તેઓ બેડીએ જકડાઈને તારી પાછળ પાછળ ચાલશે. તેઓ તને પગે પડીને કબૂલ કરશે, ‘ઈશ્વર તારી સાથે છે. માત્ર એ જ ઈશ્વર છે; બીજો કોઈ નથી.’ ” હે ઈશ્વર, ઇઝરાયલના મુક્તિદાતા, તમે સાચે જ ગૂઢ છો. *** મૂર્તિઓના ઘડનારા લજ્જિત તથા ફજેત થશે. તેઓ સૌ શરમાઈ જશે. પણ પ્રભુ સાર્વકાલિક ઉદ્ધારથી ઇઝરાયલનો બચાવ કરશે; સદાસર્વદા તેઓ ક્યારેય લજવાશે કે શરમાશે નહિ. આકાશોને ઉત્પન્‍ન કરનાર એ જ એક માત્ર ઈશ્વર છે. પૃથ્વીને ઘડનાર અને બનાવનાર પણ તે જ છે; તેમણે જ એને સ્થાપન કરી છે. તેમણે એને નિર્જન રહેવા દેવા નહિ, પણ માણસોને વસવા માટે બનાવી છે. એવા પ્રભુ કહે છે, “હું પ્રભુ છું અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. હું ગુપ્તમાં કે કોઈ અંધારા ખૂણામાં છાનોછપનો બોલ્યો નથી. મેં ઇઝરાયલ લોકને મારી શોધ કરવા કારણ વિના કહ્યું નથી. હું પ્રભુ છું અને હું સત્ય બોલું છું; જે સાચું છે તે હું જણાવું છું.” પ્રભુ કહે છે, “હે અન્ય દેશોમાંથી બચી જવા પામેલા લોકો, તમે સૌ સાથે મળીને મારી પાસે એકત્ર થાઓ.ચુકાદા માટે તૈયાર થાઓ. પોતાની લાકડાની મૂર્તિઓને ઊંચકીને ફરનારા અને બચાવી ન શકે એવા દેવોને પ્રાર્થના કરનારા લોકોમાં કંઈ સમજ નથી. આવો, તમારો દાવો રજૂ કરો, ભેગા મળીને મસલત કરો અને જણાવો કે પ્રાચીન સમયથી કોણે એના વિષે ભવિષ્ય ભાખ્યું હતું? કોણે એની અગાઉથી જાહેરાત કરી હતી? શું મેં પ્રભુએ એમ કર્યું નથી? અલબત્ત, મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. હું ન્યાયી ઈશ્વર છું; હું જ ત્રાતા છું. બીજો કોઈ નથી. હે દુનિયાના છેડા સુધીના સૌ લોક, મારી તરફ ફરો અને ઉદ્ધાર પામો. કારણ, હું જ ઈશ્વર છું અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. મેં મારી જાતના સોગંદ ખાધા છે, અને પૂરી પ્રામાણિક્તાથી હું પોતે બોલ્યો છું. એ મારું અફર વચન આવું છે: સૌ મારી આગળ આવીને મને ધૂંટણે નમશે અને મારા પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા લેશે. તેઓ કહેશે, ‘પ્રભુ તરફથી વિજય અને સામર્થ્ય પ્રાપ્ત થાય છે, પણ જે કોઈ તેમની વિરુદ્ધ પડયા છે તેમણે તેમની સમક્ષ શરમાવું પડશે. પણ ઇઝરાયલનાં સર્વ સંતાનો તો પ્રભુમાં વિજયી બનશે અને તેઓ સૌ તેમનો જયજયકાર કરશે.” બેલદેવ નમી પડયો છે, નબોદેવ ઝૂકી પડયો છે. તેમની મૂર્તિઓ ભારવાહક ગધેડાં પર લાદવામાં આવી છે. એકવાર બેબિલોનીઓ તેમને સરઘસમાં ઊંચકીને ફેરવતા હતા, પણ અત્યારે તો તેઓ થાકેલાં પ્રાણીઓને ભારરૂપ થઈ પડી છે. તેઓ એક સાથે નમી જાય છે અને ઝૂકી પડે છે. એ ભારરૂપ મૂર્તિઓ પોતાને બચાવી શકી નથી. હવે તેને બંદીવાન તરીકે ઉપાડી જવામાં આવે છે. પ્રભુ કહે છે, “હે યાકોબનાં સંતાનો, ઇઝરાયલના બચવા પામેલા લોકો, મારું સાંભળો. તમારા ગર્ભધારણના સમયથી મેં તમને ધરી રાખ્યા છે અને તમારો જન્મ થતાં જ તમને ઊંચકી લીધા છે. તમારી વૃદ્ધાવસ્થા સુધી હું તમારા પ્રત્યે એવો જ ઈશ્વર રહીશ, તમને પળિયાં આવે ત્યારે ય હું તમને ધરી રાખીશ. હું જ તમારો ઉત્પન્‍નર્ક્તા છું. હું જ તમને ધરી રાખું છું; હું જ તમને ઊંચકી લઉં છું અને હું જ છોડાવું છું.” વળી, પ્રભુ કહે છે, “તમે કોની સાથે મારી સરખામણી કરશો? શું મારા જેવો બીજો કોઈ છે? કોની સાથે મારી તુલના કરીને મને સરખાવશો? લોકો થેલીઓમાંથી સોનું ઠાલવે છે અને ત્રાજવાથી ચાંદી જોખી આપે છે. તેમાંથી દેવની મૂર્તિ બનાવવા તેઓ સોનીને રાખે છે. પછી નમન કરીને તેની પૂજા કરે છે! તેઓ તેને ખભે ઊંચકીને લઈ જાય છે અને તેને સ્થાને તેનું સ્થાપન કરે છે. પછી એ દેવ ત્યાં ઊભો રહે છે અને ત્યાંથી ખસતો નથી. જો કોઈ તેને પ્રાર્થના કરે તો તે તેને જવાબ આપતો નથી કે તેમને આફતમાંથી ઉગારતો નથી. હે બંડખોરો, આટલું યાદ રાખો, તેને મનમાં ઠસાવો અને તે પર તમારું ચિત્ત પરોવો. ઘણા વર્ષો પહેલાં જે બન્યું તે યાદ કરો. માત્ર હું જ ઈશ્વર છું; બીજો કોઈ નથી. હું જ ઈશ્વર છું; મારા જેવો બીજો કોઈ નથી. મેં પરિણામ કેવું આવશે તેની આરંભથી જાહેરાત કરી છે. જે બનવાનું હતું તે મેં પ્રાચીનકાળથી પ્રગટ કર્યું છે. મારો સંકલ્પ અફર છે અને મારા મનની ઇચ્છા પ્રમાણે જ થશે. હું પૂર્વમાંથી તરાપ મારતા શિકારી બાજને એટલે, દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર માણસને બોલાવું છું. હું તે બોલ્યો છું, અને તે જ હું પાર પાડીશ.” “હે હઠાગ્રહી લોકો, વિજય તો વેગળો છે એવું માનનારા, તમે મારું સાંભળો. હું વિજયનો દિવસ પાસે લાવું છું; તે હવે બહુ દૂર નથી. મારા ઉદ્ધારદાયક વિજયને હવે વાર લાગવાની નથી. હું સિયોનને વિજય પમાડીશ અને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ.” પ્રભુ કહે છે, “ઓ બેબિલોન નગરી, નીચે ઊતરીને ધૂળમાં બેસ; રાજ્યાસન પરથી ઊતરી પડીને જમીન પર બેસ. તું તો અજેય નગરી, કુંવારી કન્યાસમી હતી. પણ હવે તો નાજુકનમણી રહી નથી, તું તો ગુલામડી બની છે. ઘંટીએ બેસીને દળવા માંડ; તારો ધુંઘટ ઉઠાવી લે. તારો ચણિયો ઊંચો પકડ અને ખુલ્લા પગે ઝરણાં પાર કરીને જા. તારી નગ્નતા ઉઘાડી પડશે અને સૌ કોઈ તારી લાજ જોશે. હું બદલો લેવાનો છું અને કોઈ મને રોકી શકશે નહિ.” ઇઝરાયલના પવિત્ર ઈશ્વર આપણા મુક્તિદાતા છે. તેમનું નામ સર્વસમર્થ યાહવે છે. પ્રભુ બેબિલોનને કહે છે, “છાનીમાની અંધારામાં બેસી રહે; કોઈ તને હવે રાજ્યોની રાણી કહેશે નહિ. હું મારા લોક પર રોષે ભરાયો હતો અને મેં મારી એ સંપત્તિરૂપ પ્રજાને અપમાનિત કરી હતી. મેં તેમને તમારા હાથમાં સોંપ્યા હતા અને તમે તેમના પર લગારે ય દયા દાખવી નહિ. વયોવૃદ્ધ માણસો પર પણ તમે ભારે ઝૂંસરી લાદી. તેં કહ્યું, ‘હું તો સદાસર્વદા રાણી તરીકે રહીશ.’ પણ તેં આ બધી વાતો ધ્યાનમાં લીધી નહિ અને એનો આખરી અંજામ શો આવશે તેનો વિચાર કર્યો નહિ. તો હે મોજીલી, પોતાને સહીસલામત સમજનારી,તું તો મનમાં કહે છે કે, ‘હું જ છું અને મારા જેવું બીજું કોઈ છે જ નહિ. હું કંઈ વિધવા થવાની નથી કે મારે સંતાનનો વિયોગ સહન કરવાનો નથી.’ પણ એક જ દિવસે એક ક્ષણમાં એ બન્‍ને આફતો તારે શિર આવી પડશે. તારાં ધંતરમંતર અને જાદુક્રિયાઓ અજમાવ્યા છતાં તેઓ તારા પર સંપૂર્ણપણે આવી પડશે. તેં તારી દુષ્ટતા પર આધાર રાખ્યો છે. તેં એમ માની લીધું કે મને કોઈ જોતું નથી. તારા જ્ઞાને તથા તારી વિદ્યાએ તને ભમાવી દીધી છે અને તેં તારા મનમાં માન્યું છે કે હું જ છું અને મારા જેવું બીજું કોઈ નથી. તેથી તારા પર એવી આફત આવી પડશે કે જેને તું નિવારી શકીશ નહિ; એવી વિપત્તિ આવી પડશે કે જેને તારો કોઈ જાદુમંત્ર રોકી શકશે નહિ. તેં ધાર્યું ન હોય એવી રીતે વિનાશ તારા પર અચાનક આવી પડશે. તું છેક તારી બાલ્યાવસ્થાથી ધંતરમંતર અને જાદુક્રિયામાં મંડી રહી છે. તેના પર આધાર રાખ; કદાચ, તું તેનાથી સફળ થાય અને તારા દુશ્મનો પર ધાક પણ બેસાડે! તને ઘણીબધી સલાહ મળવા છતાં તું લાચાર છે. તો હવે તારાઓના અભ્યાસીઓ, આકાશોનું વિશ્લેષણ કરનારા અને પ્રતિમાસની આગાહીઓ કરનારા તારા એ જ્યોતિષીને બોલાવ કે તારા પર ઝળુંબી રહેલી આફતમાંથી તને ઉગારે. અરે, તેઓ તો તણખલા જેવા છે અને આગમાં બળીને ખાક થઈ જશે. તેઓ એ આગની જ્વાળાઓમાંથી પોતાને બચાવી શકશે નહિ; કારણ, એ કંઈ પાસે બેસીને તાપવાનું તાપણું કે સગડી નથી. તારી બાલ્યાવસ્થાથી જેમની સાથે તું વ્યવહાર રાખતી આવી છે તે સલાહકારો તો એવા છે. તેઓ તારું કંઈ હિત કરી શકે તેમ નથી. તેઓ તને તજીને પોતપોતાને રસ્તે ચાલ્યા જશે અને તેમાંનો કોઈ તને બચાવી શકશે નહિ.” હે ઇઝરાયલને નામે ઓળખાતા યાકોબના વંશજો, યહૂદાના વંશમાં ઊતરી આવેલા લોક, તમે આ સાંભળો: તમે યાહવેને નામે સમ ખાઓ છો અને ઇઝરાયલના ઈશ્વરની આરાધના તો કરો છો, પણ સચ્ચાઈથી કે નિખાલસપણે નહિ. તમે તો પવિત્ર શહેરના નાગરિક છો અને જેમનું નામ સર્વસમર્થ યાહવે છે તે ઇઝરાયલના ઈશ્વર પર આધાર રાખો છો. પ્રભુ ઇઝરાયલને કહે છે, “જે ઘટનાઓ બની ચૂકી છે તેને વિષે તો મેં અગાઉથી ભવિષ્ય ભાખ્યું હતું; મેં મારે મુખે તેમની જાહેરાત કરી તેમને જણાવી હતી. પછી મેં એ ઘટનાઓ અચાનક બનવા પણ દીધી. હું જાણું છું કે તું તો તદ્દન હઠીલો છે. તારી ગરદન લોખંડ જેવી કઠણ અને તારું કપાળ તાંબા જેવું સખત છે. તેથી તો મેં વર્ષો પહેલાં ભાવિની જાહેરાત કરી અને બનાવો બને તે પહેલાં તને જણાવ્યા, જેથી તું બડાઈ ન મારે કે એ તો તારી લાકડાની કોરેલી કે ધાતુમાંથી ઢાળેલી મૂર્તિઓએ નિર્માણ કર્યા પ્રમાણે બન્યું છે. મેં તને અગાઉ જે જણાવેલું તે તેં સાંભળ્યું હતું અને હવે એ બધું બન્યું છે તે તું જોઈ શકે છે. પણ હવે હું અગાઉ જાહેર નહિ કરેલા ભાવિના નવા બનાવો વિષે કહીશ: જેના વિષે તું જાણતો નથી એવા છૂપા બનાવો અંગે કહીશ. એ બનાવો ભૂતકાળના નથી, પણ તાજેતરમાં થનાર છે. આજદિન સુધી તેં એ વિષે ક્યારેય સાંભળ્યું નથી. તેથી તું એ જાણે છે એવો દાવો તું કરી શકે તેમ નથી. બલ્કે તે સંબંધી તેં સાંભળ્યું નથી કે તું જાણતો પણ નથી. ભૂતકાળમાં ક્યારેય એની વાત તારે કાને પડી નથી. મને ખબર છે કે તું તો કપટી અને જન્મથી બંડખોર છે. મારા નામને ખાતર મેં કોપ કરવામાં વિલંબ કર્યો છે અને મારી પ્રતિષ્ઠાને અર્થે મેં તેને રોકી રાખ્યો છે, જેથી તારો નાશ ન થઈ જાય. મેં વિપત્તિરૂપી ભઠ્ઠીમાં તારી ચાંદીની જેમ ક્સોટી કરી છે, પણ તું શુદ્ધ થયો નથી. હું આ બધું મારે પોતાને ખાતર કરું છું. હું મારા નામને કલંક લાગવા દઈશ નહિ અને મારા મહિમામાં બીજા કોઈને ભાગીદાર થવા દઈશ નહિ.” પ્રભુ કહે છે, “હે યાકોબ, હે ઇઝરાયલ, મારા પસંદ કરેલા લોક, મારું સાંભળો! હું જ ઈશ્વર છું. હું આદિ છું અને હું જ અંત છું. મેં મારે હાથે પૃથ્વીના પાયા નાખ્યા હતા અને મારા જમણા હાથથી આકાશોને પ્રસાર્યાં હતાં. હું આકાશ અને પૃથ્વીને હાકલ કરું એટલે તેઓ તરત મારી સમક્ષ હાજર થઈ જાય છે. “તમે સૌ એકત્ર થાઓ અને સાંભળો! મારો પ્રિય માણસ બેબિલોન પર આક્રમણ કરી મારો હેતુ સિદ્ધ કરશે અને તેને હાથે ખાલદીઓ ખુવાર થઈ જશે તે વિષે કોઈ દેવે અગાઉથી જણાવ્યું નથી. હું જ એ બોલ્યો છું; હા, મેં તેને બોલાવ્યો છે. હું તેને લઈ આવીશ અને તે તેનું કાર્ય સિદ્ધ કરશે. મારી પાસે આવીને મારું સાંભળો: હું તો શરૂઆતથી જ કંઈ ગુપ્તમાં બોલ્યો નથી અને એ પ્રમાણે બને ત્યારે ય ત્યાં મારી હાજરી હોય છે.” હવે પ્રભુ પરમેશ્વરે મને તેમના આત્માનો સાથ આપી મોકલ્યો છે. ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, તારા ઉદ્ધારક પ્રભુ આમ કહે છે, “હું પ્રભુ તારો ઈશ્વર છું. હું તમને હિતકારક શિક્ષણ આપું છું અને તારે જે માર્ગે જવું જોઈએ તેમાં ચાલવાની દોરવણી આપું છું. જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું! તો તો સતત વહેતી સરિતા સમી સમૃદ્ધિ સાંપડી હોત અને સાગરના ઉછળતાં મોજાં સમો વિજય હાંસલ થયો હોત. વળી, તારા વંશજો રેતીના રજકણો જેટલા થાત અને મારી આગળથી તેમનું નામ નાબૂદ થઈ જાત નહિ કે લોપ થઈ જાત નહિ.” બેબિલોનમાંથી નીકળી જાઓ, ખાલદીઓથી નાસી છૂટો. હર્ષનાદ સહિત જાહેર કરો અને પૃથ્વીના છેડે છેડે આ સંદેશો પહોંચાડો કે, “પ્રભુએ પોતાના સેવક યાકોબનો ઉદ્ધાર કર્યો છે.” પ્રભુએ પોતાના લોકને સૂકા રણપ્રદેશમાં થઈને દોર્યા ત્યારે પણ તેઓ તરસ્યા રહ્યા નહિ. કારણ, તેમણે તેમને માટે ખડકમાંથી પાણી કાઢયું, એટલે ખડકમાંથી પાણી ખળખળ વહી નીકળ્યું. પ્રભુ કહે છે, “દુષ્ટોને શાંતિ નથી.” ઓ ટાપુઓ અને દૂર દેશાવરના લોકો, મારું ધ્યનથી સાંભળો. પ્રભુએ મને મારા જન્મ પહેલાં બોલાવ્યો હતો. હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી જ પોતાના સેવક તરીકે તેમણે મારી નામજોગ પસંદગી કરી છે. તેમણે મારા મુખની વાણી તાતી તલવાર જેવી કરી છે, મને તેમના હાથને ઓથે સંતાડયો છે. અને મને તીક્ષ્ણ તીર જેવો બનાવીને પોતાના ભાથામાં છુપાવી રાખ્યો છે. તેમણે મને કહ્યું, “હે ઇઝરાયલ, તું મારો સેવક છે. તારામાં હું મારો મહિમા પ્રગટ કરીશ.” મેં કહ્યું, “મેં નિરર્થક શ્રમ કર્યો છે. મેં મારી શક્તિ વ્યર્થ અને નકામી ખરચી નાખી છે. તેમ છતાં પ્રભુ તરફથી મને મારું વળતર મળી રહેશે. તે મને મારા કાર્યનો બદલો આપશે.” યાકોબને પોતાની પાસે પાછો લાવવા અને ઇઝરાયલના વિખેરાઈ ગયેલા લોકને પોતાની પાસે એકઠા કરવા પ્રભુએ મને તેમનો સેવક થવાને ગર્ભસ્થાનમાં ઘડયો હતો. તેથી તો હું પ્રભુની દષ્ટિમાં સન્માન પામેલો છું અને એ મારા ઈશ્વર મારા સામર્થ્યનો સ્રોત છે. પ્રભુએ કહ્યું, “તોપણ હે મારા સેવક, યાકોબનાં કુળોને સંસ્થાપિત કરવાં અને મેં ઇઝરાયલના બચાવી રાખેલા લોકને પાછા ફેરવવા એ તો તારે માટે કંઈ બહુ મોટું કામ નથી; એથી વિશેષ, હું તો તને બિનયહૂદી પ્રજાઓ માટે પ્રકાશરૂપ કરીશ. જેથી તું પૃથ્વીને છેડેછેડે મારા ઉદ્ધારને પ્રસરાવે.” જેના પ્રત્યે માણસોને ધિક્ક ાર છે અને પ્રજાઓને નફરત છે અને જે રાજર્ક્તાઓનો દાસ છે તેને માટે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર અને ઉદ્ધારક કહે છે: “રાજાઓ ઊભા થઈને તને માન આપશે અને રાજદરબારીઓ તને જોઈને તારી આગળ નમન કરશે.” પ્રભુ પોતાનું વચન પાળવામાં અડગ છે અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરે પોતાના એ સેવકને પસંદ કર્યો છે તેને લીધે એવું બનશે. પ્રભુ પોતાના ઇઝરાયલી લોકને કહે છે, “મારી કૃપા દાખવવાના નિયત સમયે હું તારું સાંભળીશ અને મુક્તિના દિવસે તને સહાય કરીશ. હું તારું રક્ષણ કરીશ અને લોકો સાથેના મારા કરાર તરીકે તારી નિમણૂક કરીશ. હું દેશનો પુનરોદ્ધાર કરીશ અને ઉજ્જડ થઈ પડી રહેલાં વતનોને વહેંચી આપીશ. હું બંદીવાનોને કહીશ, ‘બહાર આવો!’ અને અંધકારમાં બેઠેલાઓને કહીશ, ‘બહાર પ્રકાશમાં આવો!” તેઓ રસ્તાની ધારે ચરતાં ઘેટાં જેવાં થશે, બલ્કે, પ્રત્યેક ઉજ્જડ ડુંગર તેમને માટે ચરિયાણ બની જશે. તેમને ફરી કદી ભૂખ કે તરસ લાગશે નહિ. વળી, રણની લૂ કે સૂર્યનો તાપ લાગશે નહિ. કારણ, તેમના પર કરુણા કરનાર તેમનો દોરનાર થશે. તે તેમને પાણીના ઝરણાં પાસે લઈ જશે. મારા લોકની મુસાફરી અર્થે હું પર્વતો મધ્યે સપાટ રસ્તો બનાવી દઈશ અને પ્રત્યેક માર્ગને પૂરીને સરખો કરીશ. મારા લોક દૂરદૂરથી, ઉત્તરમાંથી અને પૂર્વમાંથી અને દક્ષિણમાં છેક આસ્વાનથી આવશે.” હે આકાશો, આનંદ કરો! હે પૃથ્વી, હર્ષનાદ કર! હે પર્વતો, જયજયકાર કરો! કારણ, પ્રભુએ પોતાના લોકને દિલાસો આપ્યો છે. તેમણે પોતાના દુ:ખી લોક પર દયા દાખવી છે. પણ સિયોનનગરી તો કહે છે, “પ્રભુએ મને તજી દીધી છે, અમારા માલિક અમને વીસરી ગયા છે.” તેથી પ્રભુ કહે છે, “શું માતા પોતાના ધાવણા બાળકને ભૂલી જાય? શું તે પોતાના પેટના સંતાનને વહાલ ન કરે? કદાચ, માતા પોતાના બાળકને વીસરી જાય, પણ હું તને કદી ભૂલી જઈશ નહિ. જો, મેં તો તને મારી હથેલીમાં કોતરેલી છે! તારા કોટ પર મારી સતત ચાંપતી નજર છે. તને ફરીથી બાંધનારા ઉતાવળે આવી રહ્યા છે. તને ખેદાનમેદાન કરી નાખનારા નાસી જવા મંડયા છે. તારી આંખો ઉઠાવીને ચારે બાજુ નજર ફેરવ. તારા સર્વ લોક એકઠા થઈ રહ્યા છે, તેઓ તારી પાસે આવી રહ્યા છે. હું પ્રભુ, મારા જીવના સમ ખાઈને કહું છું કે તું તેમને સૌને આભૂષણોની જેમ ધારણ કરીશ અને જેમ કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તું તેમને અપનાવી લઈશ. તને તો ખંડિયેર અને ઉજ્જડ બનાવી દેવામાં આવી હતી અને તારી ભૂમિ વેરાન બની ગઈ હતી. પણ હવે તેમાં વસવા આવનાર તારા લોક માટે તારો વિસ્તાર સાંકડો પડશે. તને પાયમાલ કરનારાઓને તો તારી મધ્યેથી દૂર કરી દેવામાં આવશે. દેશનિકાલ દરમ્યાન જન્મેલાં તારાં બાળકો તને કહેશે, ‘આ તો બહુ સાંકડી જગ્યા છે, અમને વસવાને વિશાળ જગ્યા કરી આપ.’ ત્યારે તું તારા મનમાં કહીશ, “આ બધાં બાળકોને કોણે જન્મ આપ્યો? મને તો સંતાનવિયોગ થયેલો અને બીજાં સંતાનની તો આશા નહોતી! મને તો દેશનિકાલમાં ઘસડી જવામાં આવી હતી અને તજી દેવામાં આવી હતી. તો એમને કોણે ઉછેર્યાં? હું તો એકલીઅટૂલી હતી, તો પછી આ બધાં આવ્યાં ક્યાંથી?” પ્રભુ પરમેશ્વર પોતાના લોકને કહે છે, “હું હાથનો ઈશારો કરી બિનયહૂદી પ્રજાઓને અને વજાના સંકેતથી લોકોને બોલાવીશ. તેઓ પોતાની કેડમાં તારા પુત્રોને અને પોતાના ખભા પર તારી પુત્રીઓને ઊંચકીને લઈ આવશે. રાજાઓ તેમના પિતા સમાન અને તેમની રાણીઓ તેમની ધાવ સમાન બનશે. તેઓ તને ભૂમિ સુધી લળી લળીને પ્રણામ કરશે અને તારી ચરણરજ ચાટશે. ત્યારે તને ખ્યાલ આવશે કે હું પ્રભુ છું અને મારા પર આધાર રાખનાર કદી નિરાશ થતા નથી.” શું કોઈ યોદ્ધા પાસેથી લૂંટ ખૂંચવી શકે? શું તું જુલમી માલિક પાસેથી બંદીવાનને છોડાવી શકે? તો પ્રભુ જવાબ આપે છે, “હા, તે જ પ્રમાણે બનવાનું છે. યોદ્ધાઓ પાસેથી બંદીવાનો છોડાવી લેવાશે અને જુલમગાર પાસેથી લૂંટ પચાવી પડાશે. તારી વિરુદ્ધ લડનારા સામે હું લડીશ અને તારાં બાળકોને બચાવીશ. હું તારા જુલમગારોને તેમનું પોતાનું જ માંસ ફાડી ખાતા કરી દઈશ. તેઓ દારૂની જેમ પોતાના જ રક્તપાતથી છાકટા બનશે. તે વખતે સમગ્ર માનવજાત જાણશે કે હું પ્રભુ, તારો ઉદ્ધારક અને તારો મુક્તિદાતા તથા યાકોબનો સમર્થ ઈશ્વર છું.” પ્રભુ પૂછે છે, “મેં તમારી માતાથી લગ્નવિચ્છેદ કર્યો હોય તો તેનું પ્રમાણપત્ર ક્યાં છે? અથવા મારા કયા લેણદારને ત્યાં મેં તેને વેચી દીધી છે? તમે તો તમારા પાપને લીધે વેચાયા હતા અને તમારા અપરાધને લીધે તમારી માતાને કાઢી મૂકવામાં આવી હતી. “હું તમને બચાવવા આવ્યો ત્યારે અહીં કેમ કોઈ નહોતું? મેં હાંક મારી ત્યારે કેમ કોઈએ જવાબ આપ્યો નહિ? શું તમને છોડાવવા હું પહોંચી વળી શકું તેમ નથી? શું તમને બચાવવાને મારું બાહુબળ પૂરતું નથી? હું ધમકીમાત્રથી સમુદ્રને સૂકવી નાખું છું અને નદીઓને રણ બનાવી દઉં છું. પરિણામે, પાણીને અભાવે તેનાં માછલાં તરસે તરફડી મરે છે અને ગંધાઈ ઊઠે છે. હું આકાશમાં અંધકાર છાઈ દઉં છું અને તેથી ગમગીની વ્યાપી જાય છે.” હું નિર્ગત થઈ ગયેલાઓને પ્રોત્સાહનના શબ્દો કહું તે માટે પ્રભુ પરમેશ્વરે મને કેળવાયેલી વાણી ઉચ્ચારતી જીભ આપી છે. તે દર સવારે મને જાગૃત કરે છે. જેથી હું કાન માંડીને તેમનું શિક્ષણ સંપાદન કરી શકું. પ્રભુ પરમેશ્વરે મારા કાન સરવા કર્યા છે. તેથી ન તો મેં તેમની વિરુદ્ધ બળવો કર્યો કે ન તો હું તેમનાથી દૂર ગયો. મને ફટકારનારની આગળ મેં મારી પીઠ અને મારી દાઢી ફાંસી નાખનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનારા કે થૂંકનારાથી મેં મારું મોં છુપાવ્યું નથી. પણ મને તો પ્રભુનો સાથ છે તેથી હું ઝંખવાણો પડવાનો નથી કે લજવાવાનો નથી. કારણ, મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું દઢ કર્યું છે. મારો બચાવ કરવાને ઈશ્વર મારા પક્ષમાં છે. તો મારી વિરુદ્ધ કોઈ આક્ષેપ મૂકનાર છે? જો હોય, તો સામે આવે. મારા પર કોઈ આરોપ મૂકનાર છે? જો હોય તો મારો પ્રતિકાર કરે. પ્રભુ પરમેશ્વર પોતે મારો બચાવ કરશે, તો પછી મને કોણ દોષિત ઠરાવશે? મારા બધા પ્રતિવાદીઓ કીડાઓએ કોરી ખાધેલા વસ્ત્રની જેમ ક્ષીણ થઈ જશે. તમારામાં પ્રભુથી ડરીને ચાલનાર કોણ છે? તેમના સેવકના શબ્દોને આધીન થનાર કોણ છે? જે કોઈ હોય તે પોતાની પાસે પ્રકાશ ન હોવાથી અંધકારમાં ચાલતી વખતે પોતાના ઈશ્વર યાહવેના નામ પર ભરોસો મૂકે અને તેમના પર આધાર રાખે. પણ હાલ જેઓ અગ્નિ પેટાવે છે અને સળગતી મશાલો ધરાવે છે તેવા તમે તમારા પેટાવેલ અગ્નિના અને સળગતી મશાલોના પ્રકાશમાં ચાલો. પ્રભુને હાથે તમારા આવા હાલ થશે: તમે વેદનામાં રિબાયા કરશો. પ્રભુ કહે છે, “હે સદાચારને અનુસરનારા અને મને પ્રભુને શોધનારા, તમે મારું કહ્યું સાંભળો. તમને જે ખડકમાંથી ખણી કાઢવામાં આવ્યા છે અને જે ખાણમાંથી ખોદી કાઢવામાં આવ્યા છે તે તમારા ઉદ્ભવસ્થાનને જુઓ. “તમારા પૂર્વજ અબ્રાહામનો અને તમારી કુળજનેતા સારાનો વિચાર કરો. મેં અબ્રાહામને આમંત્રણ આપ્યું ત્યારે તે નિ:સંતાન હતો. પણ પછી મેં તેને આશિષ આપીને તેને અનેક વંશજો આપ્યા. “હું સિયોનને અને તેનાં ખંડિયેરોમાં વસતા સૌને આશ્વાસન આપીશ. હું તેના વેરાનપ્રદેશને એદન જેવો અને તેના સૂકાપ્રદેશને ‘પ્રભુની વાડી’ જેવો બનાવી દઈશ. તેમાં આનંદોત્સવ થશે અને ગાનતાન સાથે મારાં સ્તુતિગીત ગવાશે. હે મારા લોક, મારું સાંભળો. હે મારી પ્રજા, મારા કહેવા પર ધ્યાન આપો. મારી પાસેથી નિયમ પ્રગટશે અને મારો ઈન્સાફ પ્રજાઓ માટે પ્રકાશરૂપ બની રહેશે. “મારા વિજયનો સમય પાસે છે અને મારો ઉદ્ધાર પ્રગટ થવામાં છે. મારો ભુજ પ્રજાઓ પર રાજ ચલાવશે. ટાપુઓ પોતાના રક્ષણ માટે મારા ભુજની પ્રતીક્ષામાં મારી તરફ તેમની મીટ માંડશે. “તમારી દષ્ટિ આકાશ તરફ ઊંચી કરો; વળી, નીચે પૃથ્વીને ય નિહાળો. આકાશ તો ધૂમાડાની જેમ અદશ્ય થઈ જશે અને પૃથ્વી વસ્ત્રની જેમ ર્જીણ થઈ જશે તથા તેમાંના લોક માખીઓની જેમ મરણ પામશે, પણ મારો ઉદ્ધાર સદાકાળ રહેશે; મારો વિજય નાશ પામશે નહિ. “સાચું શું છે તે જાણનારા અને હૃદયમાં મારું શિક્ષણ જાળવી રાખનારા, તમે મારું સાંભળો. લોકોની નિંદાથી બીશો નહિ કે તેમનાં મહેણાંટોણાથી ગભરાશો નહિ. કીડો કપડાંને અને કંસારી ઊનને કાતરી ખાય તેમ તેઓ ક્ષીણ થઈ જશે, પણ મારો ઉદ્ધાર સદાકાળ રહેશે, અને મારો વિજય હરહંમેશ ટકી રહેશે.” હે પ્રભુના ભુજ જાગ! પ્રાચીન સમયમાં તેં પૂર્વજોની પેઢીઓ દરમ્યાન કરેલ તેમ વસ્ત્રની જેમ સામર્થ્ય ધારણ કર. શું તેં જ રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા નહોતા? તેં જ એ રાક્ષસી અજગરને વીંધી નાખ્યો નહોતો? સમુદ્રનાં અગાધ પાણીને સૂકવી નાખી પોતાના લોકને સમુદ્રના ઊંડાણમાં થઈને પાર લઈ જનાર તું જ નહોતો? પ્રભુએ મુક્ત કરેલા લોકો પાછા ફરશે અને આનંદથી ગાતાં ગાતાં અને હર્ષનાદ કરતાં કરતાં સિયોનમાં પહોંચશે અને આનંદ તેમના શિરનો મુગટ બની રહેશે. હર્ષ અને ઉલ્લાસ તેમને આંબી જશે અને દુ:ખ તથા નિસાસા નાસી જશે. પ્રભુ કહે છે, “હું તમને હૈયાધારણ આપું છું તો પછી મર્ત્ય માનવથી, ઘાસ જેવા નાશપાત્ર માણસોથી શા માટે બીઓ છો? પણ તમે તો આકાશોને પ્રસારનાર અને પૃથ્વીના પાયા નાખનાર તમારા સર્જનહારને વીસરી ગયા છો. તેથી તો તમે તમારા જુલમગારોને લીધે આખો દિવસ સતત ભયમાં રહો છો. પણ તમારા જુલમગારોનો કોપ ક્યાં છે? કારણ, કચડાયેલાઓ બહુ જલદી મુક્ત થશે, તેઓ બંદીખાનામાં જ મોત પામશે નહિ કે તેમને અન્‍નની તંગી વર્તાશે નહિ. હું પ્રભુ તમારો ઈશ્વર છું. હું સમુદ્રને ખળભળાવું છું, એટલે તેનાં મોજાંઓ ગર્જના કરે છે. સર્વસમર્થ યાહવે એ જ મારું નામ છે. મેં જ આકાશો સ્થાપ્યાં છે અને પૃથ્વીનો પાયો પણ મેં જ નાખ્યો છે. હું સિયોનને કહું છું: તમે મારા લોક છો. મેં મારો સંદેશ તમારા મુખમાં મૂક્યો છે અને મારા હાથની છાયાનું તમારા પર આચ્છાદન કર્યું છે.” હે યરુશાલેમ નગરી, જાગ, જાગ, ઊભી થા! તેં પ્રભુના હાથમાંથી તેમના કોપનો પ્યાલો પીધો છે. તેં માણસોને લથડિયાં ખવડાવનાર મોટો પ્યાલો ગટગટાવી જઈને તેને તળિયાઝાટક કર્યો છે. તેં ઉછેરેલા તારા પેટના પુત્રોમાંથી કોઈ તારું બાવડું પકડીને તને દોરી જનાર નથી. તારા પર તો બેવડી આપત્તિ આવી પડી છે: યુદ્ધને લીધે પાયમાલી અને વિનાશની સાથોસાથ ભૂખમરો પણ છે અને તારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનાર કોઈ નથી. શિકારીએ બિછાવેલ જાળમાં હરણ ફસાઈ જાય તેમ તારા લોક શેરીઓને નાકે નાકે લાચાર થઈને પડયા છે. તેમણે પ્રભુના કોપનો, તારા ઈશ્વરની ધમકીનો પૂરેપૂરો અનુભવ કર્યો છે. હે યરુશાલેમના પીડિતો, તમે છાકટા તો બન્યા છો, પણ દ્રાક્ષાસવથી નહિ. તેથી પ્રભુ પરમેશ્વર, તમારા ઈશ્વર તમારા બચાવપક્ષે બોલે છે. મેં તમારા હાથમાંથી તમને લથડિયાં ખવડાવનાર કોપનો પ્યાલો લઈ લીધો છે. હવે પછી તમારે કદી એ કોપના મોટા પ્યાલામાંથી પીવાનો વારો આવશે નહિ. ‘જમીન પર ઊંધા મોંએ સૂઈ જાઓ કે અમે તમારા પર ચાલીએ, એવું તમારા જુલમગારો તમને કહેતા. તમારી પીઠ પણ ભૂમિ જેવી અથવા ચાલવાની શેરી જેવી થઈ પડી હતી. હું પેલો કોપનો પ્યાલો તમારા એ જુલમગારોના હાથમાં મૂકીશ. જાગ, ઓ સિયોન જાગ! સામર્થ્ય ધારણ કર. હે પવિત્ર શહેર યરુશાલેમ, તારાં વૈભવી વસ્ત્રો ધારણ કર. હવે પછી તારા દરવાજાઓમાં સુન્‍નતરહિત અશુદ્ધ પ્રજાઓ ધૂસી જશે નહિ. હે યરુશાલેમ, તારી ધૂળ ખંખેરી નાખ અને ઊઠીને રાજ્યાસન પર બિરાજમાન થા. હે સિયોનના બંદીવાન લોકો, તમારી ગરદન પરની જંજીરોથી મુક્ત થાઓ. પ્રભુ પરમેશ્વર પોતાના લોકને કહે છે, “તમે વિનામૂલ્ય ગુલામ તરીકે વેચાયા હતા. તેથી તમે વિનામૂલ્યે છોડાવી લેવાશો. તમે તો પોતે ઇજિપ્તમાં વસવા ગયા હતા. છેલ્લે આશ્શૂરે તમને વિનાકારણ રંજાડયા હતા. હવે અહીં બેબિલોનના સંબંધમાં પણ એવું જ બન્યું છે. કારણ, મારા લોકને વિનામૂલ્યે બંદીવાન કરી લઈ જવામાં આવ્યા છે અને તેમના ઉપરી અમલદારો તેમની ઠેકડી ઉડાવે છે. મારું નામ આખો દિવસ સતત નિંદાય છે. આવનાર દિવસોમાં તમે મારા લોક મારું નામ જાણશો. વળી, હું ઈશ્વર છું અને મેં તમારી સાથે અગાઉથી વાત કરી છે એવું તમે સ્વીકારશો.” વધામણીની વાત લઈ આવી રહેલા સંદેશકના પગ પર્વતો પર કેવા સુંદર લાગે છે! તે તો શાંતિની જાહેરાત કરે છે, શુભસંદેશ લાવે છે, ઉદ્ધાર પ્રગટ કરે છે અને સિયોનને કહે છે, ‘તારા ઈશ્વર રાજ કરે છે!’ સાંભળ, તારા ચોકીદારો ઊંચે અવાજે એકી સાથે હર્ષના પોકાર કરે છે. તેઓ પ્રભુને સિયોનમાં પાછા આવતા નજરોનજર જોઈ રહ્યા છે! હે યરુશાલેમનાં ખંડિયેરો, તમે સૌ સાથે મળી આનંદનાં ગીતો ગાવા લાગો! કારણ, પ્રભુએ પોતાના શહેરનો ઉદ્ધાર કરીને પોતાના લોકને આશ્વાસન આપ્યું છે. દુનિયાની સર્વ પ્રજાઓનાં દેખતાં પ્રભુ પોતાનો પવિત્ર ભુજ પ્રગટ કરશે અને પૃથ્વીના છેડેછેડાના લોક આપણા ઈશ્વરે કરેલો ઉદ્ધાર જોઈ શકશે. નીકળો! નીકળો! ઓ મંદિરનાં પાત્રો ઊંચકનારાઓ, તમે બેબિલોનમાંથી નીકળી જાઓ અને શુદ્ધ થાઓ. કોઈપણ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ કરશો નહિ. છતાં તમારે કંઈ ભાગેડુની જેમ નાસભાગ કરવાની નથી. કારણ, પ્રભુ પોતે તમારા અગ્રેસર બની તમને દોરશે અને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે. પ્રભુ કહે છે, “જુઓ, મારા સેવકની આબાદી અને ઉન્‍નતિ થશે, તેમજ તેને ઉત્તમ માન મળશે. એક સમયે તો ઘણા લોકો તેને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા; કારણ, તેનો ચહેરો અને તેનો સમગ્ર દેખાવ અમાનુષી રીતે એવો વિરૂપ બનાવી દેવાયો કે તે માણસ હોય એવું લાગે જ નહિ! પણ હવે પછી પ્રજાઓ તેને જોઈને આભી બની જશે; રાજાઓ પણ વિસ્મિત થઈને અવાકા બની જશે; કારણ, તેમને પહેલાં કહેવામાં આવ્યું ન હોય એવું તેઓ જોશે અને તેમણે પહેલાં સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.” પણ અમે સાંભળેલા સંદેશા પર કોણે વિશ્વાસ મૂક્યો છે? કોની આગળ પ્રભુનો ભુજ પ્રગટ થયો છે? તે તો તેમની સમક્ષ કુમળા રોપાની જેમ અને સૂકી ભૂમિમાં ઊગી નીકળતા મૂળની જેમ વૃદ્ધિ પામ્યો. તેનામાં કંઈ એવાં સૌંદર્ય કે પ્રભાવ નહોતાં કે આપણે તેના પ્રત્યે આકર્ષાઈએ. તેનામાં કંઈ લાવણ્ય નહોતું કે આપણે તેને ચાહીએ. તે તો માણસોથી તિરસ્કાર પામેલો અને તરછોડાયેલો હતો; દુ:ખી પુરુષ અને દર્દનો અનુભવી હતો. તે તો જેને જોઈને માણસો પોતાનું મુખ સંતાડી દે તેવો ઉપેક્ષા પામેલો હતો અને આપણે તેને વિસાત વિનાનો ગણ્યો. સાચે જ તેણે તો આપણાં દર્દ અપનાવ્યાં અને આપણાં દુ:ખ ઉપાડયાં છે. છતાં જેને ઈશ્વરે સજા કરી હોય, ઘાયલ કર્યો હોય અને પીડા દીધી હોય એવો તેને આપણે માની લીધો. પણ તે આપણા અપરાધોને લીધે વીંધાયો અને આપણા અન્યાયને લીધે કચડાયો. તેને થયેલી સજાથી આપણું કલ્યાણ થયું છે અને તેના ઘાથી આપણને સાજાપણું મળ્યું છે. આપણે સૌ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ. આપણે સૌ પોતપોતાને માર્ગે વળી ગયા છીએ. પ્રભુએ તેને શિરે આપણા સૌના અન્યાય મૂક્યા છે. તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો અને પીડા દેવામાં આવી. પણ તે તેના મુખે એક શબ્દ પણ બોલ્યો નહિ. હલવાનને ક્તલખાને લઈ જવામાં આવે તેમ તેને લઈ જવામાં આવ્યો અને ઘેટું તેનું ઊન કાતરનારની આગળ મૂંગું રહે, તેમ તે પોતાને મુખે એક શબ્દ પણ બોલ્યો નહિ. તેને જોરજુલમથી અને અદાલતી કાર્યપ્રણાલી વિના લઈ જવામાં આવ્યો. તેના જમાનાના લોકમાંથી કોને એ વાતનો ખ્યાલ આવ્યો કે, મારા લોકના અપરાધને લીધે તેને મૃત્યુદંડ દેવાયો અને જીવતાઓની ભૂમિ પરથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો. દુષ્ટોની કબરોની જોડાજોડ જ તેની કબર રાખવામાં આવી અને તેની મરણાવસ્થામાં તે ધનવાનની સાથે હતો. કારણ, તેણે કંઈ હિંસા આચરી નહોતી કે તેના મુખમાં કંઈ કપટ નહોતું. છતાં પ્રભુની ઈચ્છા તો તેને કચડવાની અને પીડવાની હતી. તે પોતાની જાતનું ઈશ્વરને દોષનિવારણબલિ તરીકે અર્પણ ચડાવે ત્યારે તે પોતાનાં સંતાન જોવા પામશે. ત્યારે તે દીર્ઘાયુ થશે અને તેને હાથે ઈશ્વરનો ઈરાદો સિદ્ધ થશે. અંતરાત્માની ઊંડી વેદના અનુભવ્યા પછી તે પ્રકાશ પામશે અને સંતુષ્ઠ થશે. મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાન વડે ઘણાના અપરાધ પોતાના પર લઈને તેમને ન્યાયી ઠરાવશે. તેથી હું મહાપુરુષો સાથે તેને હિસ્સો આપીશ અને તે બળવાનો સાથે લૂંટ વહેંચશે. કારણ, છેક મરણ પામતાં સુધી તેણે પોતાનો આત્મા રેડી દીધો અને અપરાધીઓ સાથે તેની ગણના થઈ. પણ તેણે તો ઘણાંનાં પાપ ઉઠાવ્યાં અને અપરાધીઓ માટે મયસ્થી કરી. હે સંતાનવિહોણી વંધ્યા સમી યરુશાલેમ નગરી! તું હવે હર્ષનાદ અને જયજયકાર કર. પતિએ કદી તજી દીધી ન હોય તેવી સ્ત્રી કરતાં ત્યક્તાનાં સંતાન વિશેષ થશે. તારા તંબુની જગ્યા વિશાળ કર; તારા વસવાટના તંબુના પડદા પ્રસાર; તેનાં દોરડાં લાંબા કર; તેની મેખો સજ્જડ રીતે ઠોકી બેસાડ. તું ડાબી કે જમણી બધી બાજુએ તારી સરહદો વધારશે. તારાં સંતાન અન્ય પ્રજાઓ પર કબજો જમાવશે અને નિર્જન શહેરો ફરી વસાવશે. તું બીશ નહિ; તું ફરી લજ્જિત થવાની નથી. તું ગભરાઈશ નહિ; તું ફજેત થવાની નથી. તું તારા યૌવનનું લાંછન ભૂલી જશે, અને તને તારા વૈધવ્યનું કલંક ફરી યાદ આવશે નહિ. કારણ, તારા સર્જનહાર ઈશ્વર જ તારે માટે પતિ સમાન બની રહેશે. તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. તારા ઉદ્ધારક તો ઇઝરાયલના પવિત્ર ઈશ્વર છે. તે આખી પૃથ્વીના ઈશ્વર છે. તું તો મનમાં ઉદાસ રહેતી ત્યક્તા જેવી અને જુવાનીમાં પરણ્યા પછી તરત જ તજી દેવાયેલી પત્ની જેવી છે. પણ તારા ઈશ્વર પ્રભુ તને પાછી બોલાવે છે અને કહે છે, “મેં તને પળવાર તજી દીધી હતી. પણ અપાર પ્રેમથી હું તને પાછી બોલાવીશ. મારા ક્રોધાવેશમાં હું તારાથી ક્ષણભર વિમુખ થયો હતો પણ હું અવિરત પ્રેમથી તારા પર કરુણા દાખવીશ.” તારો ઉદ્ધાર કરનાર પ્રભુ એવું કહે છે. “મારે મન તો એ નૂહના સમયના જળપ્રલય જેવું છે. ત્યારે મેં પૃથ્વી પર ફરીથી જળપ્રલય નહિ લાવવાના સમ ખાધા હતા. હવે એ જ પ્રમાણે હું તારા પર ફરી રોષે ભરાઈશ નહિ. હું તને ધમકાવીશ નહિ કે શિક્ષા કરીશ નહિ. પર્વતો ખસી જાય અને પર્વતો ચળી જાય પણ તારા પરનો મારો અવિરત પ્રેમ ટળી જશે નહિ. તને શાંતિ આપવા અંગે મેં કરેલો મારો કરાર રદ થશે નહિ.” તારા પર કરુણા દાખવનાર પ્રભુ એવું કહે છે. “હે દુ:ખિત, વાવાઝોડાની થપાટો ખાતી અને દિલાસાવિહોણી યરુશાલેમ નગરી, હું તારા પથ્થરો સુરમામાં બેસાડીશ અને તારા પાયા નીલમના કરીશ. હું તારા બુરજો માણેકના, તારા દરવાજાઓ લાલમણિના અને તારા કોટની દીવાલ રત્નજડિત બનાવીશ. હું પ્રભુ પોતે તારા લોકને શિક્ષણ આપીશ અને તેમને પુષ્કળ સમૃદ્ધ કરીશ. તું ઉદ્ધારદાયક ન્યાયમાં સ્થાપિત થઈશ. ત્રાસ તારાથી દૂર રહેશે એટલે તને કંઈ ભય લાગશે નહિ. કારણ, તે તારી પાસે આવશે નહિ. જો કોઈ તારા પર આક્રમણ કરે તો તેની પાછળ મારો હાથ નહિ હોય. બલ્કે, તારી વિરુદ્ધ લડાઈ કરનારની પડતી થશે. અંગારા ચેતાવી અમુક હેતુ માટે હથિયાર ઘડનાર લુહારનો સર્જક હું છું. એ હથિયારથી વિનાશ કરનાર સૈનિકનો ય સર્જક હું છું. તેથી તારી વિરુદ્ધ વાપરવા ઘડેલું કોઈપણ હથિયાર સાર્થક થશે નહિ. ન્યાય તોળતી વખતે તારી વિરુદ્ધ કરવામાં આવેલા કોઈપણ આક્ષેપોને તું જુઠ્ઠા પુરવાર કરીશ. એ જ મારા તરફથી મારા સેવકોને મળતો વારસો છે; હું જ તેમના બચાવપક્ષે છું,” એવું પ્રભુ કહે છે. પ્રભુ કહે છે, “તમે જેઓ તરસ્યા છો તે અહીં આ પાણી પાસે આવો; જેની પાસે પૈસા ન હોય તે પણ આવો. ખોરાક વેચાતો લઈને ખાઓ. આવો, દ્રાક્ષાસવ અને દૂધ વિનામૂલ્યે ખરીદો; તમારે તેની કંઈ કિંમત ચૂકવવાની નથી. જે ખોરાક ખાવાલાયક નથી તેને માટે તમે નાણાં કેમ ખર્ચો છો? જેથી તૃપ્તિ મળતી નથી તેને માટે તમારી કમાણી કેમ વાપરી નાખો છો? મારું સાંભળો અને મારું માનો તો તમે ઉત્તમ ખોરાક ખાશો અને પૌષ્ટિક ખોરાકથી તમારો જીવ સંતોષ પામશે. કાન દઈને મારું સાંભળો અને મારી પાસે આવો. મારી પાસે આવો એટલે તમને જીવન પ્રાપ્ત થશે. હું તમારી સાથે સનાતન કરાર કરીશ અને દાવિદને વચનપૂર્વક આપેલી આશિષો તમને આપીશ. મેં તેને લોકો માટે સાક્ષી અને તેમનો અધિકારી તથા સેનાપતિ ઠરાવ્યો હતો. જુઓ, જે પ્રજાઓ વિષે તમે જાણતા નથી તેમને તમે બોલાવશો; જે પ્રજાઓ તમને ઓળખતી નહોતી તેઓ તારી સાથે સંબંધ બાંધવાને દોડતી આવશે. હું તમારો ઈશ્વર પ્રભુ છું; ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું અને મેં તમને ગૌરવી બનાવ્યા છે તેને લીધે એમ થશે.” પ્રભુ મળે તેમ છે ત્યાં સુધી તેમને પ્રાપ્ત કરી લો; તે પાસે છે તેટલામાં તેમને હાંક મારો. દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે. પ્રભુ કહે છે, “મારા વિચારો તમારા વિચારો જેવા નથી; તેમ જ મારા માર્ગો તમારા માર્ગો કરતાં જુદા છે. જેમ પૃથ્વીથી આકાશો ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે. આકાશમાંથી વરસાદ અને હિમ પડે છે અને તે પાછાં ઊંચે જતાં નથી. પણ વાવવાને બિયારણ અને ખાવાને ધાન્ય મળે તે માટે પૃથ્વીમાંથી પાક ઊગી નીકળે તે માટે તેને સિંચે છે. મારા મુખમાંથી ઉચ્ચારાયેલો સંદેશ પણ તેવો જ છે. મેં જે ઇચ્છયું છે તે પૂર્ણ કર્યા વિના અને જે હેતુ માટે મેં તેને મોકલ્યો છે તે સિદ્ધ કર્યા વિના તે મારી પાસે નિરર્થક પાછો વળશે નહિ. “તમે બેબિલોનમાંથી આનંદસહિત નીકળી જશો. તમને સહીસલામત દોરી જવામાં આવશે. તમારી આગળ પર્વતો અને ડુંગરો આનંદથી ગાવા માંડશે અને વૃક્ષો હર્ષનાદથી તાળી પાડવા લાગશે. કાંટાને બદલે દેવદાર અને જંગલી ગુલાબને બદલે મેંદી ઊગી નીકળશે.તે મારી પ્રભુની યાદગીરી અર્થે નાબૂદ ન થઈ જાય એવી સદાકાળની નિશાની બની રહેશે.” પ્રભુ પોતાના લોકને કહે છે, “ન્યાયનું પાલન કરો અને પ્રામાણિકપણે વર્તો. કારણ, હું થોડા જ વખતમાં તમારો ઉદ્ધાર કરીશ અને તમારે માટે છુટકારો જાહેર કરીશ. એ પ્રમાણે વર્તનાર અને એને વળગી રહેનાર, સાબ્બાથને અપવિત્ર ન કરતાં તેનું પાલન કરનાર અને દુરાચારથી પોતાને દૂર રાખનાર માણસને હું આશિષ આપીશ.” પ્રભુના સંબંધમાં આવેલા પરદેશીએ ‘પ્રભુ મને પોતાના લોકની સાથે ભજન કરવા નહિ દે’ એમ બોલવું નહિ. અરે, ‘હું તો સુકાઈ ગયેલા વૃક્ષ સમાન નપુંસક છું.’ એમ વ્યંડળોએ કહેવાની જરૂર નથી. કારણ, પ્રભુ એમને કહે છે, “જે વ્યંડળો મારા સાબ્બાથોનું પાલન કરે છે, હું પ્રસન્‍ન થાઉં એવી બાબતો પસંદ કરે છે અને મારા કરારને વળગી રહે છે, તેમને તો હું પુત્રપુત્રીઓ દ્વારા ચાલુ રહેતાં નામ અને સ્મારક કરતાં વધારે સારું નામ અને સારું સ્મારક મારા મંદિરમાં તથા કોટની દીવાલની અંદર શહેરમાં આપીશ.” વળી, પ્રભુને સેવાર્થે સમર્પિત થયેલા, પ્રભુના નામ પર પ્રેમ કરનારા, તેમની ઉપાસના કરનારા, સાબ્બાથને અપવિત્ર ન કરતાં તેનું પાલન કરનારા અને તેમના કરારને વળગી રહેનારા પરદેશીઓ વિષે પ્રભુ કહે છે: “હું તમને મારા પવિત્ર પર્વત સિયોનમાં લાવીશ. મારા પ્રાર્થનાના ઘરમાં તમને આનંદ પમાડીશ અને મારી વેદી પર તમારાં બલિદાનોનો સ્વીકાર કરીશ.કારણ, મારું મંદિર સર્વ પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.” દેશવટો પામેલા ઇઝરાયલીઓને પાછા એકઠા કરનાર પ્રભુ પરમેશ્વર કહે છે, “જેમને મેં એકત્ર કર્યા છે તે ઉપરાંત હું બીજાઓને પણ એકઠા કરીશ.” હે વનવગડાનાં સર્વ પશુઓ, તમે આગેવાનોને ફાડી ખાવાને આવો. ઇઝરાયલી લોકના એ ચોકિયાતો તો આંધળા અને અજ્ઞાન છે. તેઓ તો ભસી ન શકે તેવા મૂંગા કૂતરા જેવા છે. તેઓ સ્વપ્નમાં રાચનારા, પડી રહેનારા અને નિદ્રાધીન છે. તેઓ ખાઉધરા કૂતરા જેવા છે અને કદી ધરાતા નથી. લોકપાલકોમાં ય કંઈ સમજણ નથી. તેઓ સૌ પોતાનો સ્વાર્થ સાધવાના રસ્તા અપનાવે છે. એ દારૂડિયા કહે છે, “ચાલો, દ્રાક્ષાસવ લાવીએ અને દારૂ ઢીંચીએ. આવતી કાલ પણ આજના જ જેવી, બલ્કે એથીય વધારે આનંદની થશે.” સદાચારીઓ માર્યા જાય છે અને તે પર કોઈ ધ્યાન દઈને વિચારતું નથી. નિષ્ઠાવાન માણસો મરણ પામે છે પણ કોઈ સમજતું નથી કે તેમને ભાવિ વિપત્તિમાંથી ઉપાડી લેવામાં આવે છે. સીધે માર્ગે ચાલનારાઓ મૃત્યુશૈયા પર નિરાંતે પોઢી જાય છે. પણ તમે જાદુગરણના પુત્રો, વ્યભિચારિણી અને વેશ્યાનાં સંતાન, તમે અહીં પાસે આવો. તમે કોની મશ્કરી કરો છો? તમે મુખ પહોળું કરી જીભ હલાવી કોને ચાળા પાડો છો? શું તમે બંડખોરના વંશજો અને કપટીનાં સંતાન નથી? તમે એલોનવૃક્ષો મધ્યે પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે વિષયભોગમાં રાચતાં ફળદ્રુપતાના દેવોનું ભજન કરો છો. તમે કોતરોમાં તમારાં બાળકોનાં બલિદાન ચડાવો છો. એ કોતરોના સુંવાળા પથ્થરોમાંથી ઘડેલી દેવમૂર્તિઓ જ તમારો હિસ્સો છે. તમે તેમના પર પેયાર્પણ તરીકે દ્રાક્ષાસવ રેડો છો અને અન્‍નનું અર્પણ ચડાવો છો. શું આ બધું મને પ્રસન્‍ન કરે ખરું? હે મારી પ્રજા, ઉચ્ચ અને ઉન્‍નત પર્વત પર તેં તારી વ્યભિચારની શૈયા બિછાવી છે. ત્યાં તું યજ્ઞાર્પણો કરવા ચડી ગઈ. બારણાં અને તેની બારસાખોની પાછળ જ તેં તારી આરાધ્ય દેવમૂર્તિઓ સ્થાપી છે. તેં મારો ત્યાગ કર્યો છે અને તું નવસ્ત્રી થઈને ત્યાં ચડી ગઈ. તેં એ શૈયાને પહોળી પાથરી છે. તને જેમનું શૈયાગમન ગમે છે તેમની સાથે તેં તારી જાતનો સોદો કર્યો છે અને તું તેમની નગ્નતામાં રાચે છે. તું ઓલિવતેલ અને જાતજાતનાં અત્તરો લઈને મોલેખ પાસે પહોંચી ગઈ. ઉપાસના કરવા માટેના દેવોની શોધમાં તેં તારા રાજદૂતોને દૂર દૂર અરે, છેક મૃત્યુલોક શેઓલ સુધી મોકલ્યા. લાંબી યાત્રાઓથી તું થાકી ગઈ, પણ ‘હવે કોઈ આશા રહી નથી’ એવું તું બોલી નહિ. તને જોમ પ્રાપ્ત થયું હોય તેમ તું હતાશ થઈ નહિ. તું કોનાથી ગભરાય છે ને ડરે છે કે તું મારી સાથે કપટથી વર્તે છે, અને મને સંભારતીય નથી કે મારો વિચાર સરખોય કરતી નથી? મેં લાંબા સમયથી મૌન સેવ્યું છે એટલે તને મારો ડર લાગતો નથી? પણ હું તારી ધાર્મિક્તા અને તારાં કાર્યો ખુલ્લાં પાડી દઈશ ત્યારે એ મૂર્તિઓ તને મદદ કરવાની નથી. તું સહાય માટે પોકાર કરે ત્યારે એ તારી સંધરેલી મૂર્તિઓ તને બચાવશે? વાયુ તેમને ઉડાવી દેશે, અરે, તેઓ તો એક ફૂંકમાં ઊડી જશે. પણ મારે શરણે આવનારા તો દેશનો વારસો પ્રાપ્ત કરશે અને મારા પવિત્ર પર્વતનું વતન પામશે. પ્રભુ કહે છે, “બાંધો, સડક બાંધો! માર્ગ તૈયાર કરો. મારા લોકના માર્ગમાંથી પ્રત્યેક અવરોધ દૂર કરો!” ઈશ્વર જે ઉચ્ચ અને ઉન્‍નત છે, અનાદિઅનંત છે, જેમનું નામ પવિત્ર છે તે આમ કહે છે: “હું ઉચ્ચ અને પવિત્ર સ્થાનમાં વસું છું. વળી, હું પાપથી વિમુખ થનારા અને નમ્ર અંત:કરણના માણસો સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પાપથી વિમુખ થનારાના દયને પ્રોત્સાહિત કરું. હું મારા લોક પર કાયમને માટે દોષ મૂક્યા કરીશ નહિ અથવા તેમના પર ગુસ્સે રહીશ નહિ. નહિ તો મેં મારા આત્માથી ઉત્પન્‍ન કરેલા જીવો મારી આગળથી નષ્ટ થઈ જાય. તેમના લોભના પાપને લીધે હું તેમના પર ગુસ્સે થયો હતો. મેં તેમને શિક્ષા કરી અને હું તેમનાથી વિમુખ થયો. પણ તેમણે તો પોતાના મનફાવ્યા માર્ગે જ ચાલવાનું ચાલુ રાખ્યું. મેં તેમનું વર્તન જોયું છે, છતાં હું તેમને સાજા કરીશ. હું તેમને દોરવણી આપીશ અને તેમને સાંત્વન આપીશ. હું શોક કરનારાઓના હોઠે સ્તુતિનાં ફળ ઉત્પન્‍ન કરીશ. હું નજીક કે દૂરના સૌ કોઈને શાંતિ આપીશ. હું લોકને સાજા કરીશ. પણ દુષ્ટો તો ક્દવકીચડ ફેંક્તા ઊછળતા મોજાંવાળા અશાંત સમુદ્ર જેવા છે.” પ્રભુ કહે છે, “સાચે જ દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.” પ્રભુ કહે છે, “ઘાંટો પાડીને પોકાર; કહેવામાં કશુ જ બાકી રાખીશ નહિ. રણશિંગડાની જેમ ઊંચે સાદે પોકાર; મારા લોકને તેમના અપરાધ અને યાકોબના વંશજોને તેમનાં પાપ જણાવ. છતાં પોતે જાણે સદાચારી પ્રજા હોય અને મારા આદેશની અવજ્ઞા કરનાર ન હોય તેમ તેઓ દિનપ્રતિદિન મારી ઝંખના કરે છે અને તેમને મારા માર્ગો જાણવા છે. વળી, તેઓ મારી પાસે ધર્મવિધિઓ માગે છે અને એમ મારી પાસે આવવા ચાહે છે.” તેઓ પૂછે છે, “પ્રભુ, અમે ઉપવાસ કર્યો છતાં તમે તે લક્ષમાં કેમ લીધો નથી? અમે આત્મકષ્ટ કર્યું છતાં તમે તે પ્રત્યે ધ્યાન કેમ આપ્યું નથી?” પ્રભુ તેમને કહે છે, “હકીક્ત એમ છે કે તમે તમારા ઉપવાસને દિવસે તમારાં તમામ કામક્જ કરો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો. તમારા ઉપવાસનો દિવસ તો લડવા ઝઘડવામાં અને એકબીજાને મૂક્કીઓના ક્રૂર પ્રહાર કરવામાં પૂરો થાય છે. તમારા આજકાલના ઉપવાસથી તમારો પોકાર કંઈ આકાશમાં સંભળાવાનો નથી. શું હું આવો ઉપવાસ પસંદ કરું છું? વ્યક્તિએ આત્મકષ્ટ કરવાનો દિવસ આવો હોય? માત્ર બરુની જેમ પોતાનું માથું નમાવવું અને કંતાન તેમ જ રાખના પાથરણા પર બેસવું એ જ ઉપવાસ છે? શું એવો દિવસ મને પ્રભુને માન્ય થશે? “હું તો આવો ઉપવાસ પસંદ કરું છું: જોરજુલમનાં બંધનો તોડી નાખો, અન્યાયની ઝૂંસરીનાં દોરડાં છોડી નાખો, બોજથી દબાયેલાંઓને મુક્ત કરો, દમનની બધી ઝૂંસરીઓ ભાંગી નાખો. ભૂખ્યાઓને તમારા ભોજનમાંથી ખવડાવો અને ઘરબાર વગરનાંને તમારા ઘરમાં આશ્રય આપો. વસ્ત્રહીનને વસ્ત્રો આપો અને તમારા જાતભાઈની જરૂરિયાત પ્રત્યે દુર્લક્ષ ન સેવો. ત્યારે તો ઊગતા સવારની જેમ તારું અજવાળું ઝળહળી ઊઠશે અને તને સત્વરે સાજાપણું મળશે. તારો ઉદ્ધારર્ક્તા તારો અગ્રેસર થશે અને મારી ગૌરવી સમક્ષતા તારો પીઠરક્ષક બનશે. તું મદદને માટે હાંક મારશે ત્યારે હું પ્રભુ તને જવાબ આપીશ. જ્યારે તું મને બોલાવશે ત્યારે હું હાજર હોઈશ. જો તું જુલમની ઝૂંસરી દૂર કરે, આંગળી બતાવી ધમકી દેવાનું બંધ કરે અને ભૂંડું બોલવાથી દૂર રહે; જો તું તારા ભોજનને ભોગે પણ ભૂખ્યાઓને જમાડે અને દીનદુ:ખિયાને તૃપ્તિ પમાડે તો તારો પ્રકાશ અંધકારમાં ઝળકી ઊઠશે અને તારી ગમગીન રાત્રિ મયાહ્નના પ્રકાશમાં પલટાઈ જશે. હું પ્રભુ તને સતત દોરવણી આપતો રહીશ અને સૂક્ભઠ પ્રદેશમાં પણ તને તૃપ્ત કરીશ. હું તને તંદુરસ્ત અને મજબૂત બાંધાનો રાખીશ. તું પુષ્કળ પાણી પાયેલી વાડી જેવો અને કદી સૂકાઈ ન જાય એવા પાણીના ઝરા જેવો થઈશ. તારા વંશજો પ્રાચીનકાળનાં ખંડિયેરો બાંધશે અને તું પેઢીઓના જુના પાયા પર ચણતર કરશે. તું ફાટેલી દીવાલોને સમારનાર અને વસવાટની શેરીઓનું પુન:નિર્માણ કરનાર તરીકે ઓળખાશે.” પ્રભુ કહે છે, “જો તું સાબ્બાથનો ભંગ થાય તેવું કોઈ પગલું ન ભરે, મારા એ પવિત્ર દિવસે તારું પોતાનું કામક્જ બંધ રાખે, જો તું સાબ્બાથને આનંદદાયક અને મારા પવિત્ર દિવસ તરીકે માનપાત્ર ગણે, જો તું તે દિવસે મુસાફરી, ધંધોરોજગાર અને નિરર્થક વાતો નહિ કરતાં તેને માન આપીશ, તો તને મારામાં સાચો આનંદ થશે. હું તને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર સવારી કરાવીશ અને તારા પૂર્વજ યાકોબને મેં આપેલા દેશમાં હું તારું ભરણપોષણ કરીશ.” સાચે જ પ્રભુનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી લેવાને પહોંચી ન શકે; અને તેમના કાન એવા મંદ થઈ ગયા નથી કે તે તમારું સાંભળી ન શકે. પણ તમારા અપરાધોએ તમારી અને તમારા ઈશ્વરની વચમાં આડશ ઊભી કરી છે, અને તમારાં પાપને લીધે પ્રભુએ પોતાનું મુખ તમારા પરથી ફેરવી લીધું છે, અને તેથી તે સાંભળતા નથી. કારણ, તમારા હાથ લોહીથી ખરડાયેલા છે, તમારી આંગળીઓએ અપરાધ કર્યો છે, તમારા હોઠ જૂઠું બોલ્યા છે અને તમારી જીભ દુષ્ટતા બબડે છે. કોઈ સાચો દાવો માંડતું નથી કે સાચી દલીલો કરતું નથી. સૌ કોઈ વ્યર્થ દલીલો પર મદાર બાંધે છે, ને જૂઠું બોલે છે. તમે પ્રપંચનો ગર્ભ ધરો છો અને અધર્મનો પ્રસવ કરો છો. તેમના પ્રપંચ નાગણે સેવેલાં ઈંડાં જેવા ખતરનારક અને કરોળિયાએ વણેલી જાળ જેવા નિરર્થક છે. નાગણનાં ઈંડાં કોઈ ખાય તો તે મૃત્યુ પામે છે અને છૂંદાયેલા ઇંડાંમાંથી સાપોલિયું નીકળે છે. કરોળિયાએ વણેલી જાળો કંઈ પહેરવાના કામમાં આવતી નથી. એ જ રીતે તેમનાં કામ તેમને ઢાંકી શકવાનાં નથી; તેમનાં કામ તો અન્યાયી છે અને તેમના હાથ જોરજુલમથી ભરેલા છે. તેમના પગ દુરાચાર માટે દોડી જાય છે અને તેઓ સહેજમાં નિર્દોષનાં ખૂન કરી નાખે છે. તેમના વિચારો પ્રપંચી છે. તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પાયમાલી અને વિનાશ થઈ રહે છે. તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી અને અન્યાયી પગલાં જ ભરે છે. તેમના રસ્તા અવળા છે અને એવે રસ્તે જનારાની કોઈ સહીસલામતી નથી. લોકો કહે છે, “એટલે તો અમે અદલ ઇન્સાફથી વંચિત છીએ અને હજી અમારો બચાવ થયો નથી. અમે તેજની આશા રાખીએ છીએ, પણ અમારે તો ઘોર અંધકારમાં ચાલવું પડે છે. આંધળાની જેમ ભીંતે હાથ દઈને ફંફોસીએ છીએ. સાંજનો સમય હોય તેમ ભરબપોરે ઠોકર ખાઈએ છીએ. ખડતલ માણસોની વચમાં અમે મૃત:પ્રાય અને માયકાંગલા જેવા છીએ. અમે રીંછની પેઠે ધૂરકીએ છીએ અને કબૂતરની જેમ કલ્પાંત કરીએ છીએ. અમે ઇન્સાફની આશા રાખીએ છીએ, પણ તે મળતો નથી; છુટકારાની આશા સેવીએ છીએ પણ તે ય દૂર રહે છે. કારણ એ છે કે હે પ્રભુ, તમારી દષ્ટિમાં અમારા અપરાધો અતિશય થયા છે. અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે. અમારા અપરાધો અમારી સાથે છે અને અમે અમારાં અન્યાયી કામો જાણીએ છીએ. અમે તમારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે, તમારો નકાર કર્યો છે અને તમને અનુસર્યા નથી. અમે અત્યાચાર કર્યો છે અને બંડ પોકાર્યું છે. અમે મનમાં જૂઠા વિચારો કર્યા છે અને એ જ બબડયા છીએ.” ન્યાય પાછો ઠેલાયો છે, છુટકારો એકલો પડી ગયો છે, સત્ય રસ્તે રઝળે છે, અને પ્રામાણિક્તા પગપેસારો કરી શકે તેમ નથી. સત્યના સદંતર અભાવે દુરાચારથી દૂર રહેનારાઓ પોતે જ શિકાર બની જાય છે. પ્રભુએ જોયું કે ઇન્સાફનો અભાવ છે અને એ જોઈને તે નારાજ થયા. વળી, હિમાયત કરે એવો કોઈ માણસ નથી એ જોઈને તે વિસ્મય પામ્યા. તેથી તેમણે પોતાના બાહુબળથી જ તેમનો બચાવ કર્યો અને તે માટે પોતાના જ ન્યાયીપણાનો આધાર લીધો. તેમણે ન્યાયને બખ્તર તરીકે પહેર્યો અને શિરે વિજયનો ટોપ પહેર્યો. તેમણે પ્રતિકારરૂપી પોષાક પહેર્યો અને આવેશરૂપી ઝભ્ભો ઓઢયો. તે પોતાના દુશ્મનોને તેમનાં કાર્ય પ્રમાણે શિક્ષા કરશે. સમુદ્રના છેક છેડાના દેશોના રહેવાસીઓને પણ તે શિક્ષા કરશે. પૂર્વથી પશ્ર્વિમ સુધી સૌ કોઈ પ્રભુના નામથી અને તેમના મહાન પ્રતાપથી બીશે. પ્રભુની ફૂંકથી ધકેલાતી ધસમસતી નદીની જેમ પ્રભુ આવશે. “યાકોબના વંશજોમાંથી પાપથી વિમુખ થનારાઓ માટે સિયોનમાંથી ઉદ્ધારર્ક્તા આવશે.” એવું પ્રભુએ પોતે જાહેર કર્યું છે. તે કહે છે, “તો મેં તમને આપેલો આત્મા અને તમારા મુખમાં મૂકેલાં મારાં વચનો તમારાં, તમારાં સંતાનોનાં કે તેમના વંશજોની સાથે સદા રહેશે; અને ક્યારેય જતાં રહેશે નહિ.” આ તો પ્રભુનાં વચન છે. હે યરુશાલેમ, ઊઠ, પ્રકાશિત થા કારણ, તારા પર પ્રકાશ પડયો છે. તારા પર પ્રભુના મહિમાનો ઉદય થયો છે. સમસ્ત પૃથ્વીની અન્ય પ્રજાઓ અંધકારમાં ઘેરાયેલી હશે, પણ પ્રભુ તારા પર પ્રકાશશે. તારા પર તેમના પ્રતાપનું ગૌરવ પ્રગટશે. પ્રજાઓ તારા પ્રકાશ તરફ અને રાજાઓ તારા તેજોદય તરફ ચાલ્યા આવશે. તારી નજર ઊંચી કરીને ચારે તરફ જો. તારા લોક એકઠા થઈ રહ્યા છે; તેઓ તારી પાસે આવે છે. તારા પુત્રો દૂરદૂરથી આવશે અને તારી પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં આવશે. એ જોઈને તું તેજસ્વી બની જશે; તારું હૃદય આનંદવિભોર થઈ થનગની ઊઠશે. પ્રજાઓની સંપત્તિ તારી પાસે લાવવામાં આવશે; સમુદ્રને પેલે પારથી તેમનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે. મિદ્યાન અને એફાથી આવતા ઊંટોના કાફલાથી દેશ છવાઈ જશે. તેઓ શેબાથી સોનું તથા લોબાન લાવશે અને પ્રભુએ કરેલા કાર્યના શુભ સમાચાર પ્રગટ કરશે. કેદાર અને નબાયોથનાં બધાં ઘેટાં તારી પાસે બલિદાન માટે લાવવામાં આવશે અને પ્રભુને પ્રસન્‍ન કરવાને તેમનું વેદી પર અર્પણ ચડાવવામાં આવશે. અને પ્રભુ પોતાના ભવ્ય મંદિરને શોભાયમાન કરશે. વાદળની જેમ તથા પોતાના ગોખમાં પાછાં ફરી રહેલાં કબૂતરોની જેમ આવી રહેલાં આ વહાણો કોનાં છે? એ તો તારા ઈશ્વર યાહવેના નામને લીધે અને તને મહિમાવાન કરનાર ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને લીધે તારા પુત્રોને સોનારૂપા સહિત દૂરદૂરથી લઈ આવી પ્રતીક્ષા કરી રહેલાં વહાણો છે; એમાં તાર્શીશનાં વહાણો મોખરે છે. પ્રભુ યરુશાલેમને કહે છે, “પરદેશીઓ તારા કોટ ફરી બાંધશે અને રાજાઓ તારી સેવા કરશે. જો કે મેં મારા ક્રોધમાં તને શિક્ષા કરી હતી, પણ હવે હું તારા પર કૃપા અને અનુકંપા દાખવીશ. તારા દરવાજાઓ ખુલ્લા જ રહેશે અને દિવસે કે રાત્રે બંધ થશે નહિ; જેથી પ્રજાઓની સંપત્તિ અને વિજયની સવારીમાં કેદી રાજાઓને તારી અંદર લાવવામાં આવે. તારી સેવા નહિ કરનાર પ્રજા અને રાષ્ટ્રોનો સંપૂર્ણ નાશ કરવામાં આવશે. “મારા મંદિરને સુશોભિત કરવાને, એ મારા પાયાસનને મહિમાવંત કરવાને લબાનોનના વનનાં ગૌરવસમા દેવદાર, ભદ્રાક્ષ અને સરુનાં ઉત્તમ લાકડાં લાવવામાં આવશે. તારા પર અત્યાચાર કરનારા જ તારી આગળ પ્રણામ કરશે. એકવાર તારો તુચ્છકાર કરનાર સૌ કોઈ તારે પગે પડશે. તેઓ તને ‘યાહવેની નગરી,’ ‘ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની નગરી સિયોન’ તરીકે ઓળખશે. “તારામાં થઈને કોઈ પસાર પણ ન થાય એવી તું તજાયેલી અને ધિક્કારાયેલી હોવા છતાં હું તને કાયમને માટે વૈભવી બનાવીશ અને તું હરહમેશનું રમણીય સ્થળ બની રહેશે. માતા બાળકને સ્તનપાન કરાવે તેમ પ્રજાઓ અને રાજાઓ તારું પાલનપોષણ કરશે ત્યારે તને ખબર પડશે કે મેં પ્રભુએ તારો ઉદ્ધાર કર્યો છે અને હું, ઇઝરાયલનો સમર્થ ઈશ્વર, તારો મુક્તિદાતા છું. હું તાંબાને બદલે સોનું, લોખંડને બદલે ચાંદી, લાકડાને બદલે તાંબુ અને પથ્થરને બદલે લોખંડ લાવીશ. હું શાંતિને તારો શાસક અને ન્યાયીપણાને તારો રાજર્ક્તા બનાવીશ. તારા દેશમાં અત્યાચારની અને તારી સીમાઓમાં વિનાશ કે પાયમાલીની વાત સાંભળવા મળશે નહિ. તું તારા કોટને ‘ઉદ્ધાર’ અને તારા દરવાજાઓને ‘સ્તુતિ’ એવાં નામ આપીશ. હવે પછી તને પ્રકાશ આપવા દિવસે સૂર્યની કે રાત્રે ચંદ્રની જરૂર પડશે નહિ; કારણ, હું પ્રભુ તારો કાયમનો પ્રકાશ બની રહીશ. હું તારો ઈશ્વર તારું ગૌરવ બની રહીશ. તારા દુ:ખના દહાડા પૂરા થાય છે. કારણ, હું પ્રભુ તારે માટે કદી અસ્ત નહિ થનાર સૂર્ય અને કદી નહિ ઘટનાર ચંદ્રની જેમ સતત પ્રકાશરૂપ બની રહીશ. તારા બધા લોકો પ્રામાણિકપણે ચાલશે અને સદાસર્વકાળ દેશનું વતન પામશે. કારણ, મારો મહિમા પ્રગટ કરવા માટે તેઓ મારા રોપેલા રોપ અને મારે હાથે ઘડેલાં પાત્રો છે. તમારામાં જે સૌથી નાનું કુટુંબ તે હજારનું ગૌત્ર બની જશે અને વિસાત વિનાનું ગૌત્ર સમર્થ પ્રજા બની જશે. હું પ્રભુ નિયત સમયે એ બધું સત્વરે કરીશ.” પ્રભુ પરમેશ્વરનો આત્મા મારા પર છે; કારણ, દીનજનોને શુભ સમાચાર જણાવવાને તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને ભગ્ન દયવાળાઓને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને અંધારી કોટડીમાંથી મુક્તિની જાહેરાત કરવા માટે, પ્રભુની કૃપાદષ્ટિનું વર્ષ અને શત્રુઓનો પ્રતિકાર કરવાનો આપણા ઈશ્વરનો દિવસ જાહેર કરવા માટે, સર્વ શોક કરનારાઓને આશ્વાસન આપવા માટે, અને સિયોનમાં શોક કરનારાઓને રાખને બદલે પુષ્પમુગટ, વિલાપને બદલે હર્ષનું તેલ, હતાશ આત્માને બદલે સ્તુતિરૂપી વસ્ત્રો આપવા માટે મોકલ્યો છે. તેઓ તો પ્રભુનો મહિમા પ્રગટ કરનારાં ધાર્મિક્તાનાં ઓકવૃક્ષો અને પ્રભુએ રોપેલા રોપ કહેવાશે. તેઓ પ્રાચીન ખંડિયેરોને અને ભંગાર ઇમારતોને ફરીથી બાંધશે, પેઢીઓથી પાયમાલ અને ઉજ્જડ રહેલાં નગરોનું નવનિર્માણ કરશે. મારા લોક, પરદેશીઓ તમારાં ટોળાં ચરાવશે, તમારાં ખેતરો ખેડશે અને તમારી દ્રાક્ષવાડીઓની સંભાળ કરશે. પણ તમે તો ‘પ્રભુના યજ્ઞકારો’ તરીકે ઓળખાશો અને તમને ‘આપણા ઈશ્વરના સેવકો’ એવું નામ અપાશે. તમે પ્રજાઓની સંપત્તિનો ઉપભોગ કરશો. અને એ બધી સંપત્તિ તમારી જ છે એમાં તમે ગૌરવ લેશો. તમારી શરમિંદગીને બદલે તમને બમણી સંપત્તિ મળશે અને તમારા લાંછનને બદલે તમને તમારા દેશનું વતન ભોગવવા મળશે. તમને અવિરત આનંદ પ્રાપ્ત થશે. પ્રભુ કહે છે, “હું ઇન્સાફને ચાહું છું અને જોરજુલમ તથા અન્યાયને ધિક્કારું છું. હું મારા લોકને અચૂક બદલો આપીશ અને તેમની સાથે સાર્વકાલિક કરાર કરીશ. તેમના વંશજો પ્રજાઓમાં અને તેમનાં સંતાનો લોકોમાં ખ્યાતિ પામશે. એમને જોનાર સૌ કોઈ કહેશે કે ખરેખર આ તો પ્રભુથી આશિષ પામેલા લોક છે.” હું પ્રભુમાં અતિશય આનંદ કરીશ અને મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કારણ, જેમ વર યજ્ઞકારની માફક માથે પાઘડી પહેરી પોતાને શોભાયમાન કરે અને કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તેમણે મને ઉદ્ધારનાં વસ્ત્ર પહેરાવ્યાં છે અને મને ન્યાયદત્ત છુટકારાનો ઝભ્ભો ઓઢાડયો છે. જેમ ભૂમિ અંકુર ઉગાવે અને વાડી વાવેલાં બીને ફૂટાવે તેમ તમામ પ્રજાઓની સમક્ષ પ્રભુ પરમેશ્વર ન્યાયદત્ત છુટકારો અને સ્તુતિ ઊગી નીકળે તેવું કરશે. સિયોનનો ન્યાયદત્ત છુટકારો ઝળહળી ઊઠે નહિ ત્યાં સુધી હું મૌન સેવીશ નહિ; યરુશાલેમનો ઉદ્ધાર મશાલની જેમ પ્રદીપ્ત થાય નહિ ત્યાં સુધી હું જંપીશ નહિ. હે યરુશાલેમ, પ્રજાઓ તને વિજયવંત થયેલું જોશે અને તેમના બધા રાજાઓ તારું ગૌરવ નિહાળશે. પ્રભુ પોતે તારું જે નામ પાડે તે નવા નામે તને બોલાવવામાં આવશે. તું પ્રભુના હાથમાં શોભાયમાન તાજ અને તેમની હથેલીમાં રાજવી મુગટ બની રહીશ. તું ફરીથી ‘અઝુબા’ ચત્યક્તધૃકહેવાશે નહિ, તેમ જ તારો દેશ ‘શમામા’ ચવેરાનૃકહેવાશે નહિ; પણ તું ‘હેફસીબા’ ચમારો આનંદૃકહેવાશે અને તારો દેશ ‘બેઉલા’ ચપરિણીતધૃકહેવાશે. કારણ, પ્રભુ તારા પર પ્રસન્‍ન છે, અને તારા દેશને માટે તે પતિ જેવા બની રહેશે. જેમ જુવાન કુંવારી સાથે લગ્ન કરે તે જ પ્રમાણે તારો બાંધનાર તારી સાથે લગ્ન સંબંધ બાંધશે. જેમ વર પોતાની કન્યાથી હર્ષ પામે તેમ તારા ઈશ્વર તારાથી હર્ષ પામશે. હે યરુશાલેમ, મેં તારી દીવાલો પર ચોકીદારો મૂક્યા છે. તેઓ રાતદિવસ શાંત રહેશે નહિ, પણ પ્રભુને તેમણે આપેલાં વચનોની યાદ દેવડાવ્યા કરશે અને જંપીને બેસશે નહિ. પ્રભુ યરુશાલેમનો પુનરોદ્ધાર કરીને તેને આખી દુનિયાનું પ્રશંસાપાત્ર નગર ન બનાવે ત્યાં સુધી તેમણે તેમને જંપવા દેવાના નથી. પ્રભુએ પોતાના જમણા હાથના અને પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે: ‘હું ફરી કદી તારું અનાજ તારા દુશ્મનોને ખાઈ જવા દઈશ નહિ, તેં મહેનત કરીને બનાવેલો દ્રાક્ષાસવ પરદેશીઓ પી જશે નહિ; તારા લણેલા પાકમાંથી તું જ ખાઈશ અને પ્રભુની સ્તુતિ કરીશ. મારા મંદિરના પ્રાંગણમાં તમે તમારી વીણેલી દ્રાક્ષોનો દ્રાક્ષાસવ પીશો. ઓ યરુશાલેમના લોકો, દરવાજામાં થઈને જાઓ, નગરના પ્રવેશદ્વારમાં થઈને બહાર જાઓ. પાછા ફરી રહેલા તમારા લોકને માટે રસ્તો તૈયાર કરો. ધોરીમાર્ગ તૈયાર કરો; એમાંથી પથ્થરો વીણી કાઢો. લોકોને સંકેત આપવાને વજા ફરકાવો. પ્રભુ સમસ્ત પૃથ્વીમાં જાહેરાત કરે છે: “સિયોનના લોકને કહો કે તમારો ઉદ્ધારક આવે છે! તેમનું પ્રતિદાન તેમની સાથે છે અને તેમની સિદ્ધિ તેમની મોખરે છે.” તમે “ઈશ્વરના પવિત્ર લોક” અને “પ્રભુએ જેમનો ઉદ્ધાર કર્યો છે તેવા લોક” કહેવાશો. યરુશાલેમ તો “ઝંખેલી નગરી” અને “વણતજાયેલી નગરી” કહેવાશે. “રાતા રંગે ખરડાયેલાં વસ્ત્રો પહેરીને અદોમના બોસ્રા નગરથી આ કોણ આવી રહ્યું છે? ભપકાદાર જામામાં સજ્જ થઈને પોતાના બળમાં દમામભેર રીતે આ કોણ કૂચ કરે છે?” “એ તો હું દમનમાંથી ન્યાયદત્ત છુટકારો જાહેર કરનાર અને સમર્થ બચાવનાર છું.” “તો તારાં વસ્ત્ર દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદનારનાં વસ્ત્રો જેવાં રાતાં કેમ થયાં છે?” “મેં એકલાએ પ્રજાઓને દ્રાક્ષકુંડમાં દ્રાક્ષોની જેમ ખૂંદી છે; એમાં મને કોઈનો ય સાથ નહોતો. મેં લોકોને મારા રોષમાં ખૂંદયા છે અને મારા કોપમાં કચડયા છે. મારા પોશાક પર તેમના રક્તના છાંટા ઊડયા એટલે મારાં બધાં વસ્ત્રો પર ડાઘ પડયા છે. કારણ, મેં મારા મનમાં દુશ્મનોનો પ્રતિકાર કરવાનો દઢ નિર્ધાર કર્યો હતો અને મારા લોકનો ઉદ્ધાર કરવાનો સમય પણ પાકી ચૂક્યો હતો. મેં નજર ફેરવીને જોયું તો મને કોઈ સાથ આપે એવું નહોતું. મને કોઈ ટેકો આપનાર નથી એ જોઈને મને આશ્ર્વર્ય થયું. તેથી મેં મારા બાહુબળથી અને મારા શૌર્યથી મારે માટે વિજય હાંસલ કર્યો. મેં મારા ક્રોધમાં બધા લોકોને કચડી નાખ્યા અને તેમને છિન્‍નભિન્‍ન કરી નાખ્યા. મેં તેમનું રક્ત જમીન પર રેડી દીધું.” હું પ્રભુના અચલ પ્રેમનું બયાન કરીશ અને આપણે માટેનાં તેમનાં બધાં કાર્યો માટે તેમજ પોતાની દયા અને અવિરત પ્રેમને લીધે તેમણે ઇઝરાયલી પ્રજાના કરેલા મહાન કલ્યાણને માટે હું તેમની સ્તુતિ કરીશ. પ્રભુએ કહ્યું, “સાચે જ તેઓ મારા લોક છે; મને છેતરે એવા પુત્રો નથી.” આમ, તે તેમના ઉદ્ધારક બન્યા. તેમના સર્વ દુ:ખમાં તે પણ દુ:ખી થયા, અને તેમના કોઈ દૂતને મોકલીને નહિ, પણ તેમના પ્રત્યે પ્રેમ અને દયા દાખવીને જાતે ઉપસ્થિત રહીને તેમણે તેમને છોડાવ્યા અને પ્રાચીનકાળમાં ઊંચકીને ફેરવ્યા. તેમણે તેમની વિરુદ્ધ બળવો કર્યો અને તેમના પવિત્ર આત્માને ખિન્‍ન કર્યો. તેથી પ્રભુ પોતે જ તેમના દુશ્મન બનીને તેમની જ વિરુદ્ધ લડયા. ત્યારે તેમના લોકે ભૂતકાળને સંભાર્યો. પ્રભુના સેવક મોશે અને તેની સાથેના લોકોના દિવસો યાદ કરતાં કહ્યું, “પોતાના લોકને તેમના ઘેટાંપાલકો સહિત સમુદ્રમાં થઈને દોરી જનાર ક્યાં છે? તેમની વચમાં પોતાનો પવિત્ર આત્મા રાખનાર કયાં છે? પોતાના ગૌરવી અને શક્તિશાળી ભુજથી મોશેના જમણા હાથને સાથ દેનાર અને પોતાને માટે સાર્વકાલિક નામના મેળવવાને સમુદ્રના બે ભાગ કરી દેનાર અને પોતાના લોકને ઊંડા પાણીમાંથી દોરી જનાર કયાં છે?” પ્રભુએ તેમને દોર્યા અને સપાટ પ્રદેશમાં દોડતા ઘોડાઓની જેમ તેમણે ક્યારેય ઠોકર ખાધી નહિ. ફળદ્રુપ ખીણપ્રદેશમાં લઈ જવાતાં ઢોરની જેમ પ્રભુએ પોતાના આત્મા દ્વારા તેમને આરામ આપ્યો. પોતાનું નામ મહિમાવંત કરવા માટે તેમણે તેમને એ રીતે દોર્યા. “હે પ્રભુ, આકાશમાંથી, તમારા ઉચ્ચ, પવિત્ર અને ગૌરવી ધામમાંથી અમારા પર દષ્ટિ કરો. અમારે માટે કરેલાં તમારાં મહાન કાર્યો ક્યાં છે? અમારા પ્રત્યેનો તમારો પ્રેમાવેશ ક્યાં છે? તમે તમારી મમતા અને અનુકંપા પાછી ખેંચી લીધી છે. તમે અમારા પિતા છો; જો કે અમારા પૂર્વજ અબ્રાહામ અમને ઓળખતા નથી અને ઇઝરાયલ અમારો સ્વીકાર ન કરે, તોપણ હે પ્રભુ, તમે અમારા પિતા છો. છેક જૂના જમાનાથી “અમારા ઉદ્ધારક” એ જ તમારું નામ છે. તમે અમને તમારા માર્ગોથી શા માટે ભટકી જવા દો છો? અમને એવા હઠીલા કેમ બનાવો છો કે અમે તમારો આદરયુક્ત ડર ન રાખતાં ભટકી જઈએ? હે પ્રભુ, તમારા સેવકો અને તમારા સંપત્તિરૂપ લોકને લીધે પાછા આવો. અમે તમારા લોકે તો થોડો જ સમય તમારા પવિત્ર ધામનો ભોગવટો કર્યો છે. અત્યારે તો દુશ્મનોએ પવિત્રસ્થાનને ખૂંદી નાખ્યું છે. પ્રાચીનકાળથી તમે જાણે અમારા પર રાજ કર્યું જ ન હોય અને અમે તમારે નામે જાણે ઓળખાતા જ ન હોય એવા અમે થયા છીએ.” તમે આકાશો ફાડીને નીચે ઊતરી આવો તો કેવું સારું! કારણ, ત્યારે તો તમારા ઊતરવાથી પર્વતો કંપી ઊઠશે. જેમ અગ્નિ ઝાડીઝાંખરા સળગાવે અને પાણીને ઉકાળે તેમ તેઓ ધ્રૂજી ઊઠશે. તમારા શત્રુઓને તમારા નામનો પરચો કરાવવા અને તમારી હાજરીથી પ્રજાઓને ધ્રૂજાવી દેવા નીચે ઊતરી આવો. એકવાર તમે ઊતર્યા હતા અને અમારી કલ્પનામાં ન આવે એવાં ભયપ્રેરક કાર્યો કર્યાં હતાં અને ત્યારે પર્વતો તમને જોઈને કંપી ઊઠયા હતા. પ્રાચીન સમયથી લોકોએ જેમને સાંભળ્યા ન હોય, જેમને વિષે તેમને કાને વાત પણ પડી ન હોય અને આંખે જોયા પણ ન હોય એવા ઈશ્વર તેમના પર આધારની આશા રાખનારાઓ માટે એવાં એવાં કામો કરે છે. તમે સચ્ચાઈથી વર્તવામાં આનંદ માણનારા અને તમારે ચીંધેલા રસ્તે ચાલવાનું યાદ રાખનારાઓની વહારે આવો છો. પણ અમે તો પાપ કર્યું અને અમારા પાપાચારમાં લાંબી મુદ્દત જારી રહ્યા હોવાથી તમે કોપાયમાન થયા. પછી અમે કેવી રીતે બચી શકીએ? અમે સૌ અશુદ્ધ બન્યા છીએ અને અમારાં સારાં કામો પણ રજ:સ્વલા સ્ત્રીનાં ગંદા ચીંથરાં જેવાં છે. અમારા પાપને લીધે અમે સુકાઈને ચીમળાઈ ગયેલા અને પવનથી ઘસડાઈ જતા પાંદડાં જેવા છીએ. છતાં કોઈ તમારે નામે વિનંતી કરતો નથી કે તમને ગ્રહણ કરવા જાગ્રત થતો નથી. તમે અમારાથી તમારું મુખ સંતાડયું છે અને અમને અમારા પાપાચારની પકડમાં છોડી દીધા છે. પણ હે પ્રભુ, તમે હવે અમારા પિતા છો. અમે માટી અને તમે અમારા કુંભાર છો. અમે સૌ તમારા જ હાથની કૃતિ છીએ. તેથી હે પ્રભુ, અમારા પર અતિશય ગુસ્સે થશો નહિ અને અમારાં પાપ અમારી વિરુદ્ધ કાયમ માટે સંભાર્યા કરશો નહિ. અમારી અરજ છે કે અમે તમારા લોક છીએ એ વાત લક્ષમાં લો. તમારાં પવિત્ર શહેરો રણ જેવાં બની ગયાં છે. સિયોન પણ વેરાન છે; યરુશાલેમ ઉજ્જડ બન્યું છે. અમારું મંદિર, પવિત્ર અને ભવ્ય ધામ જ્યાં અમારા પૂર્વજો તમારી ઉપાસના કરતા હતા તેને આગમાં બાળી નાખવામાં આવ્યું છે. અમારાં સર્વ મનોરંજક સ્થાનો ખંડિયેર બની ગયાં છે. હે પ્રભુ, આવું બધું બન્યા પછી પણ તમે અમને સહાય કરવાથી પોતાને પાછા રાખશો? તમે સ્વસ્થ ચિત્તે અમને અતિશય શિક્ષા કરશો? પ્રભુ કહે છે, “જેઓ મારી પાસે પૂછપરછ કરવા નહોતા આવતા તેમને મળવાને હું ઉપલબ્ધ રહ્યો છું; જેઓ મને શોધતા નહોતા તેમને હું પ્રાપ્ત થવાને તત્પર રહ્યો છું. મારે નામે વિનંતી નહિ કરનાર પ્રજાને ‘હું આ રહ્યો, હું આ રહ્યો,’ એમ મેં કહ્યું છે. બંડખોર અને નઠારે માર્ગે ચાલનાર સ્વછંદી લોકોને આવકારવાને મેં આખો દિવસ મારા હાથ પ્રસાર્યા છે. તેઓ પવિત્ર વાટિકાઓમાં બલિદાનો ચડાવીને અને ઈંટોની વેદીઓ ઉપર ધૂપ બાળીને મને સામે મોંએ છંછેડે છે. તેઓ કબરોમાં સાધના માટે આસન જમાવે છે અને ગુપ્ત સ્થાનોમાં આખી રાત ધ્યાન ધરે છે. તેઓ ભૂંડનું માંસ ખાય છે અને પારકા દેવોને ચડાવેલ બલિના માંસનો સેરવો પીએ છે. તેઓ બીજાઓને કહે છે, ‘મારાથી દૂર રહે; મારી નજીક આવતો નહિ, કારણ, હું એવો પાવન થયેલો છું કે તું મારો સ્પર્શ પણ કરી શકે નહિ.’ એવા લોકો તો મને રોષ ચડાવનાર, મારા નસકોરાંમાં ધૂમાડા જેવા અને સતત સળગતા અગ્નિ જેવા છે. “જુઓ, મેં તો તેમને જે સજા કરવાની છે તે લખી નાખી છે. હવે હું જંપીને બેસીશ નહિ, પણ તેમના અને તેમના પૂર્વજોના બધા અપરાધોનો ભર્યોપૂર્યો બદલો તેમના ખોળામાં જ વાળી આપીશ. કારણ, તેમણે પારકા દેવનાં ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળ્યો છે અને ડુંગરો પર મારી નિંદા કરી છે. તેમનાં એ અગાઉનાં બધાં ગામોનો પૂરો બદલો હું તેમના ખોળામાં જ માપી આપીશ.” *** પ્રભુ કહે છે, “દ્રાક્ષના ઝૂમખામાં હજી રસ મળી શકે તેમ હોય ત્યાં સુધી લોકો કહે છે, ‘એનો નાશ ન કરશો; હજી એમાં આશિષ બાકી રહ્યો છે.’ હું પણ મારા સેવકોના સંબંધમાં એવું જ કરીશ. હું તેમનો સૌનો નાશ કરીશ નહિ. હું યાકોબમાંથી સંતાનો અને યહૂદાના કુળમાંથી વારસદારો ઊભા કરીશ. મારા પસંદ કરેલા લોક તેમનું વતન પામશે અને મારા સેવકો ત્યાં રહેશે. મને ભજનારા મારા લોકના હક્ક માં શારોન ઘેટાંબકરાંનાં ટોળાં માટેનું ચરિયાણ અને આખોરની ખીણ ઢોરઢાંકના વિસામાનું સ્થળ બની રહેશે. “પણ તમે જેઓ મારો ત્યાગ કરીને તથા મારા પવિત્ર પર્વત સિયોનને વીસરી જઈને ભાગ્યદેવતા ગાદને નૈવેદ્ય ધરીને તથા નિયતિ દેવતા મેનીને માટે મિશ્ર દ્રાક્ષાસવના પ્યાલા ભરીને તેમની ઉપાસના કરો છો તેમને માટે તો હું આમ કરીશ. તમે તલવારના ભોગ થઈ પડો એવું મેં નિર્માણ કર્યું છે. કારણ, મેં તમને બોલાવ્યા ત્યારે તમે મને જવાબ આપ્યો નહિ; હું બોલ્યો ત્યારે તમે સાંભળ્યું નહિ. તમે મારી દષ્ટિમાં ભૂંડા ગણાતાં કાર્યો કર્યાં અને હું નારાજ થાઉં એવી બાબતો પસંદ કરી. તેથી મારા સેવકો ખાશે પણ, તમે ભૂખ્યા રહેશો; મારા સેવકો પીશે, પણ તમે તરસ્યા રહેશો; મારા સેવકો મનના ઉમળકાથી ગાશે, પણ તમે દયની વેદનાથી પોકાર કરશો અને ભંગિત દયે વિલાપ કરશો. મારા પસંદ કરેલા લોકમાં તમારું નામ માત્ર શાપ દેવા પૂરતું રહી જશે. હું પ્રભુ પરમેશ્વર તમારો સંહાર કરીશ. પણ મારા સેવકોને તો હું નવું જ નામ આપીશ. દેશમાં કોઈ આશિષની માગણી કરે તો તે સત્ય ઈશ્વરને નામે માગશે; વળી, દેશમાં કોઈ સમ ખાય તો તે સત્ય ઈશ્વરને નામે સમ ખાશે. કારણ, ભૂતકાળની વિપત્તિઓ વીસરાઈ જશે; તેઓ મારી આંખો આગળથી અદશ્ય થઈ જશે. “કારણ એ છે કે હું નવાં આકાશ અને નવી પૃથ્વી બનાવીશ. વીતી ગયેલા બનાવોનું સ્મરણ રહેશે નહિ કે મનમાં યે આવશે નહિ. મારા આ નવા સર્જન માટે સદાકાળ આનંદ કરો અને હર્ષ પામો. કારણ, હું આનંદદાયક યરુશાલેમ અને હર્ષમય એવા તેના લોક ઉત્પન્‍ન કરું છું. હું યરુશાલેમને લીધે આનંદ પામીશ અને તેના લોકને લીધે હર્ષ પામીશ. ત્યાં ફરી કદી રુદન કે વિલાપનો સાદ સંભળાશે નહિ. ધાવણું બાળક થોડા જ દિવસ જીવીને મૃત્યુ પામે અથવા વૃદ્ધ માણસ પાકટ વયનું પૂરું આયુષ્ય જીવવા ન પામે એવું ત્યાં બનશે નહિ. કારણ, કોઈ માણસ સો વર્ષની ઉંમરે મરી જાય તો તે જુવાનવયે મરણ પામ્યો ગણાશે અને સો વર્ષની ઉંમર સુધી પહોંચી નહિ શકનાર પાપી શાપિત કહેવાશે. “લોકો ઘરો બાંધશે અને પોતે જ તેમાં રહેશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને નવો દ્રાક્ષાસવ પીશે. તેઓ ઘર બાંધે અને બીજા કોઈ રહેવા લાગે અથવા તેઓ દ્રાક્ષવાડી વાવે અને બીજા કોઈ દ્રાક્ષાસવ પી જાય એવું હવે હવે બનશે નહિ. મારા લોકનું આયુષ્ય વૃક્ષોની આવરદા જેટલું દીર્ઘ થશે. મારા પસંદ કરેલા લોક પોતાની મહેનતનું ફળ લાંબા સમય સુધી મેળવતા રહેશે. તેઓ નિરર્થક શ્રમ નહિ કરે અને બાળકોને માત્ર આફતનો ભોગ બનવા જ જન્મ આપશે નહિ. કારણ, તેઓ અને તેમનાં સંતાનો તો મેં પ્રભુએ જેમને આશિષ આપી હોય એવા લોક બની રહેશે. તેઓ મને પોકારે તે પહેલાં હું તેમને ઉત્તર આપીશ. તેઓ હજી બોલતા હશે, એવામાં હું તેમનું સાંભળીશ. વરુ અને ઘેટાનું બચ્ચું જોડાજોડ ચરશે. સિંહ બળદની જેમ ઘાસ ખાશે અને સાપ ધૂળ ખાશે. મારા આખા પવિત્ર પર્વત સિયોન પર તેઓ કંઈ નુક્સાન પહોંચાડશે નહિ કે વિનાશ કરશે નહિ.” આ તો પ્રભુનાં વચન છે. પ્રભુ આમ કહે છે, “આકાશ મારું રાજ્યાસન અને પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે માટે કેવા પ્રકારનું ઘર બાંધશો? મારું નિવાસસ્થાન કેવું બનાવશો?” વળી પ્રભુ કહે છે, “શું મેં મારે પોતાને હાથે જ એ સૌનું સર્જન કર્યું નથી? મારે કારણે જ તો તેઓ અસ્તિત્વ ધરાવે છે! તેથી મારા નિવાસ માટે તો હું જે ગરીબ અને નમ્ર દયનો છે અને મારાં વચનથી ધ્રૂજે છે તેની જ તરફ લક્ષ રાખીશ. “પણ આખલાનો બલિ ચડાવનાર માણસની હત્યા કરનાર જેવો છે; હલવાનનું અર્પણ ચડાવનાર કૂતરાની ડોક ભાગનાર જેવો છે; ધાન્યઅર્પણ ચડાવનાર ભૂંડનું રક્ત ચડાવનાર જેવો છે અને યાદગીરીને અર્થે ધૂપ બાળનાર મૂર્તિની ઉપાસના કરનાર જેવો છે. કારણ, તેમણે પોતપોતાનો માર્ગ પસંદ કર્યો છે. અને તેમનાં મન ઘૃણાજનક પૂજાવિધિઓમાં મગ્ન રહે છે. તેથી તો તેમના પ્રત્યે કેવો વ્યવહાર કરવો તે હું પસંદ કરીશ અને તેમના પર ભયાનક આફત લાવીશ. મેં હાંક મારી ત્યારે કોઈએ જવાબ આપ્યો નહિ અને હું બોલ્યો ત્યારે કોઈએ તે પર ધ્યાન આપ્યું નહિ. તેમણે તો મારી દષ્ટિમાં દુષ્ટ ગણાતાં કામો કર્યાં છે અને મને નારાજી થાય તેવી બાબતો પસંદ કરી છે.” તો હવે પ્રભુના સંદેશથી ધ્રૂજનારા, તમે તેમનો સંદેશ સાંભળો: “તમારો તિરસ્કાર અને બહિષ્કાર કરનાર તમારા જાતભાઈઓ તમારે વિષે આવું કહે છે: ‘પ્રભુ પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમને આનંદિત થયેલા જોઈએ.’ પણ તેઓ પોતે જ લજવાશે.” સાંભળો! શહેરમાં બૂમરાણ મચ્યું છે. મંદિરમાં અવાજ સંભળાય છે. એ તો પોતાના શત્રુઓને ભરીપૂરીને બદલો વાળી રહેલ પ્રભુનો અવાજ છે. સિયોનનગરી તો વેદના થયા પહેલાં બાળકને જન્મ આપી દેનાર અને કષ્ટ ઊપડે તે પહેલાં પુત્ર જણી દેનાર સ્ત્રી જેવી છે. શું કોઈએ આવું કદી જોયું કે સાંભળ્યું છે? શું એક જ દિવસમાં દેશનો પ્રસવ થઈ જાય? શું એક ક્ષણમાં પ્રજાનો ઉદ્ભવ થઈ જાય? પણ સિયોનને તો પ્રસવવેદના થતાંની સાથે જ તે સંતાનોને જન્મ આપશે. પ્રભુ કહે છે, “હું પ્રસૂતિનો સમય પાસે લાવીને પ્રસવ ન થવા દઉં એવું બને ખરું?” તમારા ઈશ્વર કહે છે, “પ્રસૂતિ થવાની હોય અને હું પ્રસવ અટકાવી દઉં એવું બને ખરું?” હે યરુશાલેમ પર પ્રેમ રાખનારાઓ, યરુશાલેમ સાથે આનંદ કરો અને તેને લીધે હર્ષ પામો. હે યરુશાલેમ માટે શોક કરનારાઓ, તમે સૌ તેની સાથે આનંદ કરો. યરુશાલેમને મળેલા સાંત્વનનું સ્તનપાન કરીને તમે તૃપ્ત થશો. બાળક સ્તનપાન કરવામાં તલ્લીન થઈ જાય તેમ તમે યરુશાલેમની સમૃદ્ધિથી આનંદ પામશો. પ્રભુ કહે છે, “હું તેનામાં સમૃદ્ધિની નદી વહાવીશ અને છલક્તા ઝરણાની જેમ પ્રજાઓની સંપત્તિ તમારી પાસે આવશે. માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે, તેને કેડે ઊંચકી લે અને તેને ખોળામાં લાડ લડાવે એમ હું તમારું પાલનપોષણ કરીને તમારો ઉછેર કરીશ. માતા બાળકને સાંત્વન આપે તેમ હું પણ તમને સાંત્વન આપીશ; તમે યરુશાલેમ સંબંધી સાંત્વન પામશો.” એ બધું જોઈને તમારાં હૃદય આનંદવિભોર બની જશે અને લીલોતરીની જેમ તમારાં અંગઅવયવ ખીલી ઊઠશે. ત્યારે પ્રભુ પોતાના સેવકોના પક્ષમાં પોતાનું બાહુબળ દાખવશે; પણ તેમના શત્રુઓ પર તો તે ક્રોધ દાખવશે. પ્રભુ અગ્નિ સહિત આવશે. તેમના રથો વંટોળિયા જેવા છે. તે અતિ જુસ્સામાં પોતાનો રોષ ઠાલવશે અને અગ્નિની જ્વાળાઓથી તે ધમકી દેશે. તે અગ્નિ અને તલવારથી ન્યાયશાસન લાવશે અને પ્રભુ ઘણાનો સંહાર કરી નાખશે. પ્રભુ કહે છે, “પોતાને પવિત્ર અને શુદ્ધ કરીને પારકા દેવના સરઘસમાં જોડાઈને જેઓ પવિત્ર બગીચાઓમાં જાય છે; જેઓ ભૂંડ, ઊંદર અને અન્ય અશુદ્ધ વસ્તુઓ ખાય છે તેઓ સૌનો એક સાથે અંત આવી લાગ્યો છે. તેમનાં કાર્યો અને કલ્પનાઓ હું જાણું છું. હું સર્વ પ્રજાઓ અને ભાષાઓના લોકોને એકઠા કરવા આવી રહ્યો છું. તેઓ આવીને મારું ગૌરવ જોશે. હું તેમને નિશાની આપીશ અને જેમણે મારી ખ્યાતિ સાંભળી નથી અથવા મારું ગૌરવ જોયું નથી તેવા કેટલાક બચી જવા પામેલાઓને હું તાર્શિશ, પુટ, લુદ, મેશેખ, તુબાલ, યાવાન અને દરિયાપારના દેશોમાં મોકલી આપીશ. તેઓ ત્યાંની પ્રજાઓમાં મારો મહિમા પ્રગટ કરશે. ઇઝરાયલીઓ જેમ પ્રભુના ઘરમાં શુદ્ધ પાત્રોમાં અર્પણો લાવે છે તેમ તેઓ તમારા જાતભાઈઓને પ્રભુને અર્પણ તરીકે ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો તથા ઊંટો પર બેસાડીને યરુશાલેમમાં મારા પવિત્ર પર્વત પર લાવશે. એમાંના કેટલાકને હું યજ્ઞકારો અને લેવીઓ બનાવીશ.” વળી, પ્રભુ કહે છે, “જેમ નવાં આકાશ અને નવી પૃથ્વી મારી સમક્ષ ટકી રહેશે તેમ તમારા વંશજો અને તમારું નામ હમેશાં ટકશે. પ્રત્યેક ચાંદ્ર માસના પ્રથમ દિવસે અને પ્રત્યેક સાબ્બાથને દિવસે સર્વ પ્રજાઓના લોક મારી સમક્ષ આવીને નમીને પ્રણામ કરશે.” તેઓ ત્યાંથી પાછા વળશે ત્યારે મારી વિરુદ્ધ બળવો કરનારાઓનાં શબ પડેલાં જોશે. તેમનો કીડો કદી મરશે નહિ અને તેમને સળગાવતો અગ્નિ કદી હોલવાશે નહિ. એ દશ્ય આખી માનવજાત માટે ઘૃણાજનક થઈ પડશે. આ યર્મિયાના સંદેશા છે. તે યજ્ઞકાર કુટુંબના હિલ્કિયાનો પુત્ર હતો અને બિન્યામીનના કુળપ્રદેશના અનાથોથ નગરમાં વસતો હતો. યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના રાજ્યકાળને તેરમે વર્ષે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો હતો. યોશિયાનો પુત્ર યહોયાકીમ રાજા હતો ત્યારે ફરીથી તેને પ્રભુનો સંદેશ મળ્યો. ત્યાર પછી યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યકાળના અગિયારમા વર્ષ સુધી તેને પ્રભુના સંદેશાઓ મળતા રહ્યા. એ વર્ષના પાંચમા મહિનામાં યરૂશાલેમના લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પ્રભુએ મને કહ્યું. “ગર્ભસ્થાનમાં મેં તને ઘડયો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો, અને તારો જન્મ થયો તે પહેલાં મેં તને મારે માટે અલગ કર્યો હતો, અને પ્રજાઓના સંદેશવાહક તરીકે તારી નિમણૂક કરી હતી.” મેં ઉત્તર આપ્યો, “ઓ પ્રભુ પરમેશ્વર, મને ઉપદેશ કરતાં આવડતું નથી, હું તો હજી કિશોર જ છું.” પણ પ્રભુએ મને કહ્યું, “હું હજી કિશોર જ છું, એમ ન કહે; પણ જે જે લોકો વચ્ચે હું તને મોકલું ત્યાં તારે જવાનું છે અને હું તને જે જે ફરમાવું તે બધું તારે તેમને કહેવાનું છે. તેમનાથી બીશ નહીં; કારણ, તારું રક્ષણ કરવા હું તારી સાથે છું. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.” પછી પ્રભુએ પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કરતા મને કહ્યું, “જો મારો સંદેશ મેં તારા મુખમાં મૂક્યો છે. આજે હું તને પ્રજાઓ અને રાષ્ટ્રોને ઉખેડી નાખવા તથા તોડી પાડવા, વિનાશ કરવા તથા ઉથલાવી નાખવા અને બાંધવા તથા રોપવાના કાર્ય પર અધિકાર આપું છું.” પ્રભુએ મને પૂછયું, “યર્મિયા, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “બદામના વૃક્ષની ડાળી.” પ્રભુએ કહ્યું, “તેં બરાબર જોયું છે. હું મારો સંદેશ પરિપૂર્ણ કરવા માટે સજાગ છું.” પછી પ્રભુએ મને બીજીવાર પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું ઉત્તર દિશામાં એક ઉકળતું વાસણ જોઉં છું અને તે આ બાજુ દક્ષિણ તરફ ઢળી રહ્યું છે.” પ્રભુએ મને કહ્યું, “ઉત્તર તરફથી આ દેશના સર્વ રહેવાસીઓ પર વિનાશ આવી પડશે. કારણ, હું ઉત્તરના બધા દેશોને બોલાવું છું. તેમના રાજાઓ યરુશાલેમના દરવાજાઓએ, તેના કોટની ચારે તરફ અને યહૂદિયાનાં નગરોની સામે પોતપોતાનું રાજ્યાસન સ્થાપશે. મારા લોકના પાપને લીધે હું તેમને સજા કરીશ. કારણ, તેમણે મારો ત્યાગ કરીને અન્ય દેવો સમક્ષ ધૂપ ચડાવ્યો છે અને પોતાના હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે. યર્મિયા, તારી કમર કાસીને તૈયાર થઈ જા. ઊઠ, હું તને ફરમાવું તે પ્રમાણે તેમને ઉપદેશ કર. તેમનાથી ગભરાઈશ નહિ, નહિ તો હું તેમની સમક્ષ તને ગભરાવી મૂકીશ. આખા દેશના બધા લોકો એટલે યહૂદિયાના રાજાઓ, અધિકારીઓ, યજ્ઞકારો અને જમીનદારો તારી સામે પડશે, પણ તેમનો સામનો કરવા માટે હું તને આજે સામર્થ્ય આપું છું. તું તેમની સામે કિલ્લેબંધ નગર, લોખંડી સ્તંભ અને તાંબાના કોટ જેવો થઈ પડીશ. તેઓ તારી સાથે લડાઈ કરશે પણ તને હરાવી શકશે નહીં, કારણ, તારું રક્ષણ કરવા હું તારી સાથે હોઈશ” હું પ્રભુ એ પોતે બોલ્યો છું. પ્રભુનો આવો સંદેશ મને મળ્યો. તેમણે કહ્યું, “જા અને યરુશાલેમના લોકો સાંભળે તેમ પોકારીને કહે, પ્રભુ કહે છે: યુવાનીના સમયની તારી નિષ્ઠા અને કન્યા તરીકેનો તારો પ્રેમ મને યાદ છે. વેરાન અને પડતર પ્રદેશમાં તું મને અનુસરતી હતી. ઓ ઇઝરાયલ, તું મને સમર્પિત હતી; ફસલની પ્રથમ ઉપજની જેમ તું મારો હિસ્સો હતી. જે કોઈ તને રંજાડતું તે દોષિત ઠરતું અને તેમના પર વિપત્તિ આવી પડતી. હું પ્રભુ પોતે આ બોલું છું.” હે યાકોબના વંશજો અને ઇઝરાયલનાં સર્વ કુળો, પ્રભુનો સંદેશ સાંભળો. પ્રભુ કહે છે: “તમારા પૂર્વજોને મારામાં શો દોષ માલૂમ પડયો કે તેમણે મને તજી દીધો, અને વ્યર્થ મૂર્તિઓની પૂજા કરીને પોતે જ વ્યર્થ બની ગયા? તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે અમને ઇજિપ્ત દેશમાંથી કાઢી લાવનાર તથા વેરાન પ્રદેશમાં, રણ અને કોતરોવાળા પ્રદેશમાં, નિર્જળ અને ભયાનક પ્રદેશમાં, જ્યાંથી કોઈ પસાર ન થાય કે જ્યાં કોઈ વસે નહિ એવા પ્રદેશમાં અમને દોરી લાવનાર પ્રભુ ક્યાં છે? વળી, હું તમને ફળદ્રુપ પ્રદેશમાં લાવ્યો કે જેથી તમે મબલક પાક અને અન્ય ઊપજ ભોગવો, પણ તમે તો અહીં આવીને મારી ભૂમિને ભ્રષ્ટ કરી છે અને મેં તમને વારસા તરીકે આપેલ દેશને ઘૃણાપાત્ર બનાવ્યો છે. યજ્ઞકારોએ દોરવણી માટે કદી પૃચ્છા કરી નથી કે પ્રભુ ક્યાં છે; નિયમશાસ્ત્રના શિખવનારાઓએ ય મને ઓળખ્યો નહિ; અધિકારીઓએ મારી વિરુદ્ધ બંડ પોકાર્યું. સંદેશવાહકોએ બઆલને નામે ઉપદેશ કર્યો અને વ્યર્થ મૂર્તિઓની પૂજા કરી. તેથી હું પ્રભુ જાતે મારા લોકની વિરુદ્ધ આક્ષેપ મૂકું છું; હું તેમનાં સંતાનોને અને વંશજોને પણ તે જણાવીશ. પશ્ર્વિમમાં કિત્તીમ ટાપુઓમાં જઈને જુઓ, પૂર્વમાં કેદારના પ્રદેશમાં જઈને ઝીણવટભરી તપાસ કરો; તમને ખબર પડશે કે પહેલાં આવું કદી જ બન્યું નથી. એટલે, કોઈ પ્રજાએ તેમના દેવો, પછી ભલેને તે સાચા દેવ ન હોય, પણ બદલ્યા નથી. પરંતુ મારા લોકે મારે બદલે, એટલે ઇઝરાયલના ગૌરવી ઈશ્વરને બદલે નકામા દેવો સ્વીકાર્યા છે. ઓ આકાશો, એ જોઈને આઘાત અને આશ્ર્વર્ય પામો; અવાકા બની જાઓ અને ભયથી ધ્રૂજી ઊઠો! હું પ્રભુ પોતે આ બોલું છું. કારણ, મારા લોકે બે મહાપાપ કર્યાં છે: તેમણે મને, જીવનદાયક ઝરાને તજી દીધો છે અને પોતાને માટે જેમાં પાણી ટકે નહિ એવા કાણાં ટાંકાં ખોદ્યા છે. ઇઝરાયલ ગુલામ નથી કે તેનો જન્મ ગુલામીમાં થયો નથી, તો પછી તે દુશ્મનોનો શિકાર કેમ થઈ પડયો છે? તેઓ તેની સામે સિંહોની જેમ ધૂરકે છે અને તેમણે તેની ભૂમિને ઉજ્જડ બનાવી દીધી છે તેનાં નગરો ખંડેર અને વસતીહીન બનાવી દીધાં છે. મેમ્ફીસ અને તાહપન્હેસના લોકોએ તેની ખોપરી ભાંગી નાખી છે. હે ઇઝરાયલ, મેં જાતે જ તારી આ દશા કરી છે. હું તને માર્ગમાં દોરતો હતો ત્યારે તેં મને, તારા ઈશ્વર પ્રભુને તજી દીધો. હવે ઇજિપ્ત જઈને નાઈલ નદીનું પાણી પીવાથી તને શું લાભ થવાનો છે? આશ્શૂર દેશમાં જઈને યુફ્રેટિસ નદીનું પાણી પીવાથી તને શો લાભ થવાનો છે? તારી પોતાની દુષ્ટતા તને સજા કરશે અને તારી બેવફાઈનાં કામો જ તારો હિસાબ લેશે; મારો, એટલે તારા ઈશ્વર પ્રભુનો ત્યાગ કરવો અને મારા પ્રત્યેની નિષ્ઠા તોડવી એ કેવું દુષ્કર અને ભૂંડું છે એની તને ખબર પડશે. હું સેનાધિપતિ પ્રભુ એ બોલું છું.” પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, પ્રાચીનકાળથી તેં તારા પરની મારા નિયમની ઝૂંસરી ભાંગી નાખી અને મારા કરારનાં બંધન તોડી નાખ્યા અને મારી સેવાભક્તિ કરવાનો નકાર કર્યો છે. દરેક ઊંચી ટેકરી અને લીલા વૃક્ષ નીચે તેં વેશ્યાની જેમ વ્યભિચાર કર્યો છે. મેં તને ઉત્તમ દ્રાક્ષાવેલાની શુદ્ધ કલમની જેમ રોપી હતી, પણ હવે તો તું સડીને દુર્ગંધ મારતા વેલા જેવી બની ગઈ છે. જો તું પોતાને સોડાખારથી અને પુષ્કળ સાબુથી ધૂએ તો પણ તારા દોષના ડાઘ મને દેખાય છે. હું પ્રભુ પોતે આ કહું છું. તું કેવી રીતે કહી શકે કે હું ભ્રષ્ટ થઈ નથી અથવા મેં બઆલદેવોની પૂજા કરી નથી? ખીણપ્રદેશમાં તારો વર્તાવ કેવો હતો અને ત્યાં તેં જે કામો કર્યાં તે સંભાર. તું તો ઋતુમાં આવેલી જંગલી ઊંટડીની જેમ આમતેમ દોડે છે. અને તું વેરાનપ્રદેશમાં ઊછરેલી જંગલી ગધેડી જેવી છે; તે કામાતુર થઈને વાયુ ચૂસીને છીંકારા મારે છે; તે વિમળ હોય ત્યારે તેને કોણ રોકી શકે? અલબત્ત, ગધેડાઓએ તેને શોધવાની તસ્દી લેવી પડતી નથી; તેની સંવનન ઋતુમાં તે તેમને સહેલાઈથી મળી આવે છે. મેં કહ્યું, ‘ઇઝરાયલ, જૂઠા દેવો પાછળ દોડીને તારા પગ ઘસી ન કાઢ અને તારું ગળુ સુકવી ન નાખ’ પણ તે કહ્યું, ‘એ બની શકે તેમ નથી; મને પારકા દેવો ગમે છે, અને હું તેમની પાછળ જઈશ.” ઇઝરાયલ સજાપાત્ર છે પ્રભુ કહે છે, “જેમ ચોર પકડાઈ જાય ત્યારે તે ભોંઠો પડે છે, તેમ ઇઝરાયલના બધા લોકો, તેમના રાજવીઓ, અધિકારીઓ, તેમના યજ્ઞકારો અને તેમના સંદેશવાહકો શરમિંદા થશે. વૃક્ષના થડને પિતા અને પથ્થરના થાંભલાને માતા કહેનાર તમે બધા લજ્જિત થશો. તમે તો મારાથી વિમુખ થયા છો અને મારી તરફ તમારી પીઠ ફેરવી છે; છતાં મુશ્કેલીમાં આવી પડશો ત્યારે પાછા તમે કહેશો ‘આવો, અમને બચાવો.’ તો પછી તમે પોતે બનાવેલા તમારા દેવો ક્યાં છે? જો તેઓ સમર્થ હોય તો આફતને સમયે આવીને તમને બચાવે; કારણ, હે યહૂદિયા, જેટલાં તારાં નગરો છે એટલા જ તારા દેવો છે.” હું પ્રભુ પૂછું છું: “તું મારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરે છે? કારણ, તમે બધાએ તો મારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે. મેં તારાં સંતાનોને શિક્ષા કરી તે વ્યર્થ થઈ છે; તેમણે મારી શિક્ષા ગણકારી નથી. ભૂખ્યા સિંહની જેમ તમારી જ તલવારોએ તમારા સંદેશવાહકોનો સંહાર કર્યો છે. “અરે, ઇઝરાયલના લોકો, મારો સંદેશો ધ્યનથી સાંભળો. શું હું તમારે માટે ઉજ્જડ રણપ્રદેશ કે ઘોર અંધકારના પ્રદેશ સમાન છું? તો પછી તમે મારા લોક શા માટે એમ કહો છો કે ‘અમે તો મુક્ત છીએ; અને અમે કદી તમારી પાસે પાછા ફરીશું નહિ?’ શું કોઈ યુવતી પોતાનાં ઘરેણાં અથવા કન્યા પોતાના લગ્નનાં આભૂષણો વીસરી જાય ખરી? પરંતુ મારા લોકો અગણિત દિવસો સુધી મને વીસરી ગયા છે! પ્રેમીઓની પાછળ કેવી રીતે પડવું તે તું બરાબર જાણે છે! તેં તો દુષ્ટ સ્ત્રીઓને પણ તારા પાપી માર્ગો શીખવ્યા છે. “તારાં વસ્ત્રો ગરીબ અને ભોળા લોકોના રક્તથી ખરડાયેલા છે; તારા ઘરમાં કંઈક ચોરી કરતા પકડાઈ ગયેલા એ લોકો નહોતા! આ બધું હોવા છતાં તું કહે છે ‘હું નિર્દોષ છું; એટલે તો મારા પર પ્રભુનો કોપ ઊતર્યો નથી.’ પણ તેં પાપ કર્યું છે એવું તું સ્વીકારતી નથી માટે હું પ્રભુ તને સજા કરીશ. બીજા દેશોના દેવો પાછળ ભટકી જઈને તેં પોતાને લજ્જિત કરી છે. આશ્શૂર દેશની જેમ ઇજિપ્ત પણ તને લજ્જિત કરશે. ઇજિપ્ત દેશમાંથી પણ તું નિરાશામાં માથે હાથ દઈને નીકળી જઈશ. કારણ, જેમના પર તેં આધાર રાખ્યો હતો, તેમને મેં પ્રભુએ તજી દીધા છે; તેમનાથી તારું હિત થશે નહિ.” પ્રભુ કહે છે, “કોઈ માણસ પોતાની પત્નીને લગ્નવિચ્છેદ આપે અને તે તેને મૂકીને બીજા માણસની પત્ની બને તો પછી શું પહેલો પતિ તેને ફરીથી અપનાવે? જો એવું બને તો દેશ ભ્રષ્ટ થઈ જાય. હે ઇઝરાયલ, પણ તેં તો ઘણા આશકો સાથે વેશ્યાગીરી આચરી છે! અને શું હવે મારી પાસે પાછી ફરવા માંગે છે? તારી નજર ઉઠાવીને ઉજ્જડ ટેકરીઓની ટોચ તરફ જો. શું કોઈ એવી જગા બાકી છે કે જ્યાં તેં વેશ્યાગીરી આચરી ન હોય? રણમાં ટાંપીને બેઠેલી વિચરતી જાતિના માણસ ની જેમ તું રસ્તાની બાજુએ બેસીને પ્રેમીઓની રાહ જુએ છે. તારી વેશ્યાગીરીથી અને અધમતાથી તેં દેશને ભ્રષ્ટ કર્યો છે. તેથી જ વરસાદને રોકી રાખવામાં આવ્યો છે અને પાછલો વરસાદ હજી પડયો નથી. અરે, હવે તો તું વેશ્યા જેવી નફ્ફટ થઈ ગઈ છે અને તને કોઈ જાતની લાજશરમ નથી! અને હવે તું મને કહે છે, ‘ઓ બાપ રે, તમે તો મારા યૌવનના મિત્ર છો. તમે કાયમને માટે રોષે ભરાયેલા રહેશો નહિ અને તમે અંત સુધી વેર રાખવાના નથી.’ હે ઇઝરાયલ, તું એ પ્રમાણે કહે છે ખરી, પણ સાથે સાથે તેં તારી ઇચ્છા પ્રમાણે દુષ્ટતા આચરવાનું ચાલુ રાખ્યું છે!” પછી યોશિયા રાજાના સમયમાં પ્રભુએ મને કહ્યું, “પેલી બેવફા સ્ત્રી ઇઝરાયલે આચરેલાં ભ્રષ્ટ કામો તેં જોયાં છે ને? તેણે મારો ત્યાગ કર્યો છે અને દરેક લીલા વૃક્ષ નીચે તેણે વેશ્યાગીરી આચરી છે. મેં ધાર્યું કે એ બધાં કામ કર્યા પછી પણ તે જરૂર મારી પાસે પાછી આવશે, પણ તે પાછી ફરી નહિ અને તેની બેવફા બહેન યહૂદિયાએ બધું જોયું. ઇઝરાયલે મારો ત્યાગ કર્યો અને વેશ્યાગીરી આચરી, તેથી મેં લગ્નવિચ્છેદ કરીને તેને કાઢી મૂકી તે પણ યહૂદિયાએ જોયું; છતાં એનાથી ઇઝરાયલની બહેન બેવફા યહૂદિયા ગભરાઈ નહિ અને તેણે પણ વેશ્યાગીરી આચરી. તેની દષ્ટિમાં એ અનીતિનાં કામો જાણે કંઈ જ હોય ન તેમ તેણે પથ્થર તથા લાકડાની પૂજા કરીને વ્યભિચાર કર્યો અને દેશને ભ્રષ્ટ કર્યો. આ બધું કર્યા પછી ઇઝરાયલની બહેન બેવફા યહૂદિયા સાચા દિલથી નહિ, પણ માત્ર ઢોંગથી પાછી ફરી છે. હું પ્રભુ પોતે આ બોલું છું.” પછી પ્રભુએ મને કહ્યું, “બેવફા યહૂદિયાની સરખામણીમાં મારો ત્યાગ કરનાર ઇઝરાયલ ઓછી દોષપાત્ર છે. તું ઉત્તરમાં જા અને ઇઝરાયલને કહે, આ પ્રભુનો સંદેશ છે: હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, મારી તરફ પાછી ફર; કારણ, હું પ્રભુ દયાળુ છું અને તેથી હું તારી સાથે અંટસ રાખીશ નહિ. માત્ર કબુલ કર કે તું દોષિત છે અને તારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ તેં પાપ કર્યું છે તથા દરેક લીલા વૃક્ષ નીચે પારકા દેવો સાથે તેં વ્યભિચાર કર્યો છે અને મારી વાણી સાંભળી નથી.” વળી, પ્રભુ કહે છે, “હે મારો ત્યાગ કરનાર લોક, પાછા ફરો. હું તમારો માલિક છું. હું તમારા નગરમાંથી એકએકને અને તમારા કુળપ્રદેશમાંથી બબ્બેને લઈને તેમને સિયોન પર્વત પર પાછા લાવીશ. મને પ્રસન્‍ન કરે એવા રાજપાલકો હું તમને આપીશ. તેઓ જ્ઞાન અને વિવેકબુદ્ધિથી તમારું પાલનપોષણ કરશે. પછી દેશમાં તમે સંખ્યામાં વૃદ્ધિ પામશો અને આબાદ થશો ત્યારે લોકો પ્રભુની કરારપેટી વિષે વાત કરશે નહિ. તેઓ તે વિષે વિચારશે નહિ કે તેને યાદ પણ કરશે નહિ; તેમને તેની ખોટ સાલશે નહિ કે નવી બનાવશે પણ નહિ. એ સમયે યરુશાલેમ ‘પ્રભુ યાહવેનું રાજ્યાસન’ કહેવાશે અને સર્વ દેશના લોકો મારે નામે ભક્તિ કરવા યરુશાલેમમાં એકત્ર થશે, ત્યારે તેઓ તેમનાં હઠીલાં અને ભ્રષ્ટ અંત:કરણો પ્રમાણે વર્તશે નહિ. તે સમયે ઇઝરાયલના લોકો યહૂદિયાના લોકો સાથે જોડાઈ જશે અને બન્‍ને એકત્ર થઈને ઉત્તર દેશમાંથી નીકળીને તેમના પૂર્વજોને કાયમના વારસા તરીકે આપેલા વચનના દેશમાં તેઓ પાછા આવશે. “મેં મારા મનમાં વિચાર્યું: હું ઇઝરાયલને પુત્રો તરીકે સ્વીકારવા કેવો તત્પર છું! હું તેમને વારસામાં સર્વ પ્રજાઓમાં સર્વોત્તમ અને રળિયામણો દેશ આપીશ. તેથી મેં કહ્યું: ‘તમે મને પિતા કહો, મને સદા અનુસરો અને મારો ત્યાગ કરશો નહિ’. પરંતુ પોતાના પતિને બેવફા થનાર પત્નીની જેમ હે ઇઝરાયલના વંશજો, તમે મને બેવફા નીવડયા છો. હું પ્રભુ એ કહું છું. (ટેકરીઓની ટોચે અવાજ સંભળાય છે. ઇઝરાયલના લોકો રુદનસહિત આજીજી કરે છે. કારણ, તેમણે ભ્રષ્ટ આચરણ કર્યું છે અને પોતાના ઈશ્વર પ્રભુને વીસરી ગયા છે.) હે મારો ત્યાગ કરનારા વંશજો, પાછા ફરો, અને હું તમારી બેવફાઈમાંથી તમને સુધારીશ.” લોકોએ જવાબ આપ્યો, “તમે અમારા ઈશ્વર યાહવે છો અને અમે તમારી તરફ પાછા ફરીએ છીએ. સાચે જ ટેકરીઓ અને ડુંગરોના દેવદેવીઓનો પૂજા ઉત્સવ કરવો વ્યર્થ છે. ઇઝરાયલને માટેનો ઉદ્ધાર તો આપણા ઈશ્વર પ્રભુ તરફથી મળે છે. તોે અમારા પૂર્વજોએ જેમને માટે પરિશ્રમ કર્યો હતો એટલે તેમનાં ઘેટાંબકરાં અને તેમનાં ઢોરઢાંક અરે, તેમના પુત્રો અને પુત્રીઓ એ સૌ આ લજ્જાસ્પદ બઆલની પૂજામાં ગુમાવી દીધાં છે એ અમારા યૌવનકાળથી જોતા આવ્યા છીએ. અમારી શરમ અમારી પથારી છે અને અમારી લાજ અમારું ઓઢવાનું વસ્ત્ર છે; કારણ, અમે અને અમારા પૂર્વજોએ યુવાનીથી માંડીને અત્યાર સુધી અમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યાં છે અને તેમની આજ્ઞાઓને આધીન થયા નથી.” પ્રભુ કહે છે, “હે ઇઝરાયલના લોકો, જો તમારે પાછા ફરવું હોય તો મારી પાસે પાછા આવો. જો તમે તમારી ઘૃણાપાત્ર મૂર્તિઓને મારી સમક્ષથી ફગાવી દો અને મારા પ્રત્યેની નિષ્ઠામાં અડગ રહો તો તમે મારે નામે સચ્ચાઈથી, ન્યાયથી અને નેકીથી સોગંદ લઈ શકશો. ત્યારે અન્ય પ્રજાઓ તેનામાં આશિષ પામશે અને તેનામાં હરખાશે.” પ્રભુ યહૂદિયાના અને યરુશાલેમના લોકોને આમ કહે છે: “તમારી પડતર જમીન ખેડી નાખો, કાંટાંઝાંખરાંમાં વાવશો નહિ. હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, હું તમારો પ્રભુ છું; મારી સાથેનો કરાર તમે પાળો અને તમારાં દયમાંથી મેલ કાપી નાખો. તમારાં કાર્યો ભૂંડાં હોવાથી મારો કોપ અગ્નિની જેમ પ્રગટીને તમને ભસ્મ કરશે અને તે હોલવી શકાશે નહિ. યહૂદિયામાં ઘોષણા કરાવો, યરુશાલેમ નગરમાં સમાચાર ફેલાવો, અને સમગ્ર દેશમાં યુદ્ધનાદનું રણશિંગડું વગાડો અને મોટેથી પોકારીને કહો, ‘સૌ એકઠા થઈને કિલ્લેબંધ નગરોમાં આશરો લો.’ સિયોન તરફ માર્ગ દર્શાવતું નિશાન ઊભું કરો, વિના વિલંબે સલામત સ્થળે નાસી છૂટો; કારણ, હું પ્રભુ તમારા પર ઉત્તર તરફથી આફત અને ભારે વિનાશ લાવું છું. ઝાડીમાંથી સિંહ ધસી આવે તેમ પ્રજાઓનો સંહારક પોતાના મુકામમાંથી બહાર નીકળી આવ્યો છે; તે તમારી ભૂમિને ઉજ્જડ કરી નાખશે અને તમારાં નગરોને ખંડિયેર અને વસ્તીહીન કરી દેશે. તેથી શોક પ્રદર્શિત કરવા કંતાન પહેરો, વિલાપ કરો અને પોક મૂકીને રડો; કારણ, પ્રભુનો ઉગ્ર કોપ આપણા પરથી ઊતર્યો નથી. પ્રભુએ કહ્યું, “તે દિવસે રાજાઓ અને અધિકારીઓ હિંમત હારી જશે, યજ્ઞકારો આઘાત પામશે અને સંદેશવાહકો અવાકા બની જશે.” ત્યારે મેં કહ્યું, “અરેરે, હે પ્રભુ પરમેશ્વર, તમે આ પ્રજાને તથા યરુશાલેમના લોકોને પૂરેપૂરાં છેતર્યાં છે. તમે તો કહ્યું હતું કે ‘શાંતિ થશે’, પરંતુ એને બદલે, તેમના ગળા પર તલવાર ઝઝૂમે છે. “એ સમયે આ પ્રજાને તથા યરુશાલેમના લોકોને કહેવામાં આવશે: રણની ઉજ્જડ ટેકરીઓ પરથી લૂ સીધેસીધી મારા લોક પર ફૂંકાવાની છે; તે અનાજ ઉપણવા માટે કે સાફ કરવા માટે નહિ, પણ દઝાડવા માટે વપરાશે. ત્યાંથી એ ભારે આંધી મારી આજ્ઞાથી આવશે. મારા એ ન્યાયશાસનથી તમને થનારી સજા હું અત્યારે જ જાહેર કરીશ: ‘જુઓ, દુશ્મન વાદળની જેમ ચઢી આવે છે; તેના રથો વંટોળ જેવા અને તેના અશ્વો ગરુડ કરતાં વેગવાન છે.’ ‘અરે, આપણું આવી બન્યું, આપણે તો લૂંટાઈ ગયા!’ તો હે યરુશાલેમ, જો તું ઉદ્ધારની આશા રાખતી હોય તો તારા દયમાંથી મલિનતા ધોઈ નાખ. ક્યાં સુધી તું તારા મનમાં કુટિલ યોજનાઓ ભરી રાખીશ? જુઓ, દાન નગરમાંથી સંદેશકનો પોકાર સંભળાય છે અને એફ્રાઈમના ઉચ્ચપ્રદેશમાંથી સંદેશકો માઠા સમાચાર જાહેર કરે છે. યરુશાલેમની આસપાસ લોકોને ખબર આપો કે દૂર દેશથી ઘેરો ઘાલનાર શત્રુઓ આવી રહ્યા છે. તેઓ યહૂદિયાનાં નગરો સામે યુદ્ધનાદ ગજવે છે. જેમ રખેવાળ ખેતરની ચોતરફ ફરી વળે તેમ તેઓ તને ઘેરો ઘાલશે; કારણ, તેમણે મારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. હું પ્રભુ પોતે એ બોલું છું. હે યહૂદિયા, તારી ચાલ અને તારાં કાર્યોને લીધે તારી આવી દશા થઈ છે. આ તો તારા પાપની કડવાશ છે અને તેનાથી તારું હૃદય વીંધાયું છે.” મારી આંતરડી ઉકળી ઊઠી છે, તે કકળી ઊઠી છે. મારા હૃદયમાં ભારે વેદના છે. મારું હૈયું વલોવાઈ રહ્યું છે, અને મને જરાય જંપ નથી. હે મારા જીવ, તેં રણશિંગડાનો નાદ-યુદ્ધનો પોકાર સાંભળ્યો છે. આપત્તિ પર આપત્તિ આવી પડે છે. આખો દેશ તારાજ થઈ ગયો છે. મારા લોકના તંબુઓ એકાએક પાડી નંખાયા છે; તેમના પડદા એકપળમાં ફાડી નંખાયા છે. ક્યાં સુધી મારે યુદ્ધપતાકા જોવાની રહેશે? અને રણશિંગડાનો અવાજ સાંભળ્યા કરવો પડશે? પ્રભુ કહે છે, “મારા લોકો બેવકૂફ છે. તેઓ મને ય ઓળખતા નથી. તેઓ નાદાન અને અક્કલહીન સંતાનો છે. તેમને ભૂંડું કરતાં આવડે છે, પણ ભલું કરી જાણતા નથી. મેં પૃથ્વીને જોઈ, તો તે ઉજ્જડ અને ખાલી હતી. આકાશ તરફ જોયું તો ત્યાં પ્રકાશ નહોતો. મેં પર્વતોને જોયા તો તેઓ ધ્રૂજતા હતા અને બધી ટેકરીઓ કંપી ઊઠી હતી. મેં જોયું તો કોઈ મનુષ્ય દેખાતું નહોતું. અરે, આકાશનાં પક્ષીઓ પણ ઊડી ગયાં હતાં. મેં જોયું તો ફળદ્રુપ જમીન વેરાન થઈ ગઈ હતી. તેનાં નગરો ખંડેર બની ગયાં હતાં; કારણ, પ્રભુનો કોપ અતિ ઉગ્ર હતો. અરે, પ્રભુએ પોતે કહ્યું છે કે સમસ્ત ધરતી વેરાન થઈ જશે, તો પણ હું તેનો સંપૂર્ણ વિનાશ કરીશ નહિ. એને લીધે પૃથ્વી વિલાપ કરશે અને આકાશ અંધકારમય બની જશે. પ્રભુ બોલ્યા છે અને તે પોતાનું મન બદલશે નહિ. પ્રભુએ નિર્ણય કર્યો છે અને તે તેમાંથી ફરશે નહિ. ઘોડેસ્વારો અને ધનુર્ધારીઓ જે કોઈ નગરમાં પ્રવેશે ત્યાં તેમના હોંકારાથી બધા નગરજનો નાસી છૂટશે; કેટલાક ગીચ ઝાડીઓમાં સંતાશે તો કેટલાક ખડકો પર ચડી જશે અને ત્યાં કોઈ રહેશે નહિ. હે યરુશાલેમ, તું શું ધારે છે? તું શા માટે જાંબલી વસ્ત્રો પહેરે છે? શા માટે તું સોનાના અલંકારોથી પોતાને શણગારે છે અને તારી આંખો ક્જલ આંજી સજાવે છે? તું પોતાને શણગારે છે, પણ એ વ્યર્થ છે; કારણ, તારા પ્રેમીઓ તારી ઘૃણા કરે છે, તેઓ તો તારો જીવ લેવા ટાંપી રહ્યા છે. કોઈ પ્રસૂતા પોતાના પ્રથમ બાળકને પ્રસવ આપતી વખતે કષ્ટાઈને ચીસો પાડતી હોય એવી યરુશાલેમ નગરની ચીસોનો સાદ મને સંભળાય છે. તે હાંફે છે, અને પોતાના હાથ પ્રસારીને કહે છે, “હાય, હાય, મારું આવી બન્યું છે, મારી હત્યા કરનારા આવી પહોંચ્યા છે.” પ્રભુ કહે છે, “હે યરુશાલેમના લોકો, યરુશાલેમની શેરીઓમાં ફરી વળો, ચારે બાજુ જુઓ અને જાતે જ તપાસ કરો, તેના ચૌટેચકલે શોધ કરો. પ્રામાણિક અને સત્યનિષ્ઠ એવો એક માણસ હોય તો તેને લીધે હું યરુશાલેમને માફ કરીશ. જો કે તમે મારે નામે સોગંદ ખાઈને મારા પ્રત્યેની નિષ્ઠાનો દાવો કરો છો છતાં સોગંદ ખાઈને પણ તમે જૂઠું બોલો છો.” પછી મેં કહ્યું, “પણ પ્રભુ તમારી આંખો સત્યતા પર મંડાયેલી છે. તમે તેમને માર્યા, પણ તેઓ દુ:ખી થયા નથી. તમે તેમને કચડયા પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી. તેઓ પથ્થરદિલ થઈને તમારી તરફ પાછા ફરવાની ના પાડે છે.” એટલે મેં ધાર્યું કે આ લોકો તો ગરીબ અને નાદાન છે અને તેમને પ્રભુના માર્ગની જાણ નથી અને ઈશ્વર તેમની પાસે કેવા આચરણની અપેક્ષા રાખે છે તેની તેમને ખબર નથી. તેથી હું અમીરવર્ગના લોકો પાસે જઈને વાત કરીશ. તેમને તો પ્રભુના માર્ગની જાણ હશે અને ઈશ્વરની અપેક્ષા વિષે ખબર હશે. પણ જોયું તો, તેઓ સૌએ ઈશ્વરના નિયમની ઝુંસરી ભાંગી નાખી છે અને તેમની સાથેના કરારનાં બંધનો તોડી નાખ્યાં છે. તેથી વનમાંનો સિંહ તેમને મારી નાખશે, અને રણનું વરૂ તેમને ફાડી ખાશે. તેમના નગર પાસે ચિત્તો ટાંપી રહેશે અને જે કોઈ બહાર નીકળશે તેને તે ચીરી નાખશે; કારણ, તેમના અપરાધો અસંખ્ય છે અને તેઓ ઈશ્વર સામે વારંવાર બંડખોર બન્યા છે. પ્રભુએ કહ્યું, “હું તમને કેવી રીતે ક્ષમા આપું? તારા લોકોએ મારો ત્યાગ કરીને તથા વ્યર્થ દેવોને નામે સોગંદ ખાઈને તેઓ પ્રત્યે પોતાની નિષ્ઠા દાખવી છે. મેં તેમને તૃપ્ત કર્યા તો પણ તેમણે વ્યભિચાર કર્યો અને વેશ્યાના નિવાસે ભીડ કરી મૂકી! ખાઈને ષ્ટપુષ્ટ બનેલા કામાતુર અશ્વોની જેમ દરેક પોતાના પડોશીની પત્નીની સામે ખોંખારા ખાય છે. આ બધા માટે શું હું તેમને સજા ન કરું? આવી પ્રજા પર શું હું વૈર ન લઉં? હું પ્રભુ એ પૂછું છું. “હે ઇઝરાયલના શત્રુઓ, તેની દ્રાક્ષવાડીઓમાં જઈને નાશ કરો; જો કે સંપૂર્ણ નાશ કરશો નહિ: માત્ર તેની ડાળીઓ કાપી જાઓ; કારણ, તેઓ મારી નથી. અરેરે, ઇઝરાયલ અને યહૂદિયાના લોકોએ મારો સંપૂર્ણ વિશ્વાસઘાત કર્યો છે! હું પ્રભુ પોતે આ બોલું છું.” ઈશ્વર ઇઝરાયલને તજી દે છે પ્રભુના લોકો પ્રભુ વિષે જૂઠું બોલ્યા છે કે, “ઈશ્વર ખરેખર કંઈ કરવાના નથી. આપણા પર આફત આવવાની નથી. અથવા આપણે દુકાળ કે યુદ્ધ જોવાના નથી. સંદેશવાહકો તો ખાલી બણગાં ફૂંકે છે તેમની પાસે પ્રભુનો કોઈ સંદેશ નથી; તેમની જ એવી દશા થશે.” તેથી સેનાધિપતિ ઈશ્વર પ્રભુએ મને કહ્યું, “યર્મિયા, આ લોકોએ આવું જૂઠાણું ઉચ્ચાર્યું છે માટે હું તેમને સજા કરીશ. તારા મુખમાં મારો સંદેશ છે. તેને હું અગ્નિરૂપ કરીશ અને તે આ લોકોને લાકડાંની જેમ બાળીને ભસ્મ કરશે.” હે ઇઝરાયલના લોકો, પ્રભુ કહે છે, “હું તમારા પર આક્રમણ કરવા દૂરથી એક રાષ્ટ્રને લાવું છું. તે પ્રાચીન અને બળવાન પ્રજા છે અને તેની ભાષા તમે જાણતા નથી અને તેના લોકોની બોલી તમે સમજી શક્તા નથી. તેમના ભાથાં ઉઘાડી કબર જેવાં છે. તેઓ સૌ શૂરવીર સૈનિકો છે. તેઓ તમારા પર આક્રમણ કરીને તમારી ફસલ અને તમારો ખોરાક પણ ખાઈ જશે. તેઓ તમારાં પુત્રપુત્રીઓનો સંહાર કરશે. તેઓ તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની ક્તલ કરશે અને તમારા દ્રાક્ષવેલા અને અંજીરવૃક્ષોનો નાશ કરશે અને જેના પર તમે ભરોસો રાખો છો તે કિલ્લેબંધ નગરોને તોડી પાડશે. તેમ છતાં એ દિવસોમાં હું મારા લોકનો સંપૂર્ણ નાશ કરીશ નહિ. આ હું પ્રભુ બોલું છું. યર્મિયા, આ લોકો તને પૂછે કે, ‘પ્રભુએ અમારા આવા હાલ શા માટે કર્યા?’ ત્યારે તું તેમને કહેજે, ‘જેમ તમે પ્રભુનો ત્યાગ કર્યો અને પોતાના દેશમાં પારકા દેવોની પૂજા કરી તેમ તમે પરદેશમાં પારકા લોકોની સેવા કરશો.” પ્રભુ કહે છે, “યાકોબના વંશજોને આ કહી સંભળાવો અને યહૂદિયાના લોકોને આ પ્રગટ કરો: હે મૂર્ખ અને બેવકૂફ લોકો, તમે આંખ હોવા છતાં જોતા નથી, અને કાન હોવા છતાં સાંભળતા નથી; તો હવે ધ્યાન આપો. હું પ્રભુ આ બોલું છું. શું તમે મારાથી નહિ ડરો? તમે મારી સમક્ષ નહિ ધ્રૂજો? મેં સમુદ્રને માટે રેતીના પટની હદ ઠરાવી છે. એ કાયમી હદને તે ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઉછળે તો પણ તે આગળ વધી શકે નહિ; ગર્જના કરે પણ હદ તોડી શકે નહિ. પણ તમે લોકો તો હઠીલા અને બંડખોર દયના છો. તમે બળવો કરીને હદ વટાવી છે. તમે તમારા મનમાં કદી એમ નથી કહેતા કે, ‘આપણને ઋતુ પ્રમાણે પ્રથમ વરસાદ અને પાછલો વરસાદ આપનાર અને કાપણીની મોસમ સાચવનાર આપણા ઈશ્વર પ્રભુનો આપણે ડર રાખીએ. તેથી તમારા અપરાધોએ કુદરતનો એ ક્રમ તોડી નાખ્યો છે અને તમારા પાપને લીધે તમે એ બધી આશિષોથી વંચિત રખાયા છો.’ મારા લોકો મધ્યે દુષ્ટો વસે છે. પક્ષીઓ પકડનાર શિકારીની માફક તેઓ જાળ ફેલાવે છે પણ આ લોકો તો માણસોને પકડવા ટાંપી રહે છે. જેમ શિકારીનું પાંજરું પક્ષીઓથી ભરાઈ જાય તેમ તેમનાં ઘરો લૂંટેલા માલથી ભરેલાં છે. તેથી જ તેઓ વગદાર અને શ્રીમંત બન્યા છે. તેઓ જાડા અને ષ્ટપુષ્ટ બન્યા છે. વળી, તેમના ભ્રષ્ટાચારની કોઈ હદ નથી. તેઓ અનાથોને તેમનો હક્ક આપતા નથી અને છતાં આબાદ થાય છે; તેઓ જુલમપીડિતોના દાવાનો યોગ્ય ન્યાય આપતા નથી. તેથી હું પ્રભુ પોતે પૂછું છું, ‘આ બધાને માટે હું તેમને સજા નહિ કરું, અને આ પ્રજા પર હું વૈર નહિ લઉં?’ દેશમાં એક ઘૃણાસ્પદ અને ભયંકર બાબત બની છે: “સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?” ઓ બિન્યામીનના લાકો, બચાવ માટે યરુશાલેમમાંથી નાસી છૂટો. તકોઆમાં રણશિંગડું વગાડો અને બેથ-હાક્કેરેમમાં મશાલ પેટાવીને તેના સંકેતથી ચેતવણી આપો. કારણ, ઉત્તર તરફથી આફત અને ભારે વિનાશ ઝળુંબી રહ્યાં છે. સિયોનનગરી તો કુમળા ગૌચર જેવી આનંદદાયક છે, પણ તેનો નાશ કરવામાં આવશે. અત્યારે તો ત્યાં ઘેટાંપાલકો પોતાનાં ટોળાં લઈને આવે છે અને તેની આસપાસ પોતાના તંબૂ નાખે છે; દરેક પોતપોતાના સ્થાનમાં ઘેટાં ચરાવે છે. પણ ત્યારે આક્રમણકારો કહેશે, ‘યરુશાલેમ પર હુમલો કરવાને તૈયાર થાઓ. આપણે બપોરે ચડાઈ કરીશું, પણ પછી તેઓ કહેશે, ‘હાય રે! બહુ મોડું થયું, દિવસ આથમી રહ્યો છે. સંયાના પડછાયા લાંબા થઈ રહ્યા છે. ચાલો, હવે આપણે રાત્રે અંધારામાં હુમલો કરીશું અને તેના રાજમહેલોનો વિનાશ કરીશું.’ કારણ, સેનાધિપતિ પ્રભુ આક્રમણ કરનારાને આમ કહે છે: “યરુશાલેમનાં વૃક્ષો કાપી નાખો અને તે વડે તેની આસપાસ મોરચો બાંધો; એ નગરમાં નર્યા જુલમ સિવાય કશું જ નથી. તેથી હું તેને સજા કરીશ. જેમ કૂવામાંથી તાજું પાણી ઊભરાયા કરે છે, તેમ યરૂશાલેમ પોતાની દુષ્ટતાથી ઊભરાય છે. તેમાં હત્યા અને લૂંટફાટની ચીસો સંભળાય છે; વેદના તથા ઘા સિવાય મને કંઈ જોવા મળતું નથી. હે યરુશાલેમના લોકો, ચેતી જાઓ. નહિ તો હું તમારો ત્યાગ કરીશ અને તમારા નગરને ઉજ્જડ અને નિર્જન કરી દઈશ, અને ત્યાં કોઈ વસશે નહિ.” સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “દ્રાક્ષવાડીમાંથી બધી દ્રાક્ષ તોડી લેવામાં આવે તેમ ઇઝરાયલમાંના બાકી રહી ગયેલાંને પણ લઈ જવામાં આવશે. યર્મિયા, તે માટે દ્રાક્ષ વીણનારની માફક ફરીથી તારો હાથ ડાળીઓ પર ફેરવ.” મેં ઉત્તર આપ્યો, “હું કોને કહું? મારી ચેતવણી કોણ સાંભળશે? તેમના સુન્‍નતરહિત કાન ઉઘાડા નથી અને તેઓ સાંભળવા માંગતા નથી. પ્રભુનો સંદેશ તેમને માટે ઘૃણાસ્પદ છે અને તે તેમને પસંદ નથી. તેથી પ્રભુ, હું તમારા કોપથી ભરપૂર છું અને એને શમાવી રાખીને હું ત્રાસી ગયો છું.” પછી પ્રભુએ મને કહ્યું, “તો પછી મારો કોપ શેરીમાં રમતાં બાળકો પર અને યુવાનોનાં ટોળાંઓ પર ઉતાર. પતિપત્ની, અબાલવૃદ્ધ સૌ તેનો ભોગ બનશે. તેમનાં ઘરો અરે, તેમનાં ખેતરો અને પત્નીઓ પણ બીજાને સોંપી દેવાશે; કારણ, આ દેશના રહેવાસીઓ પર હું મારો હાથ ઉગામવાનો છું. હું પ્રભુ એ કહું છું. કારણ, નાનામોટા સૌ અધમ લાભના લાલચુ બન્યા છે. અરે, સંદેશવાહકો તથા યજ્ઞકારો પણ ઠગબાજી કરે છે! જ્યારે હકીક્તમાં કલ્યાણ નથી ત્યારે ‘કલ્યાણ હો, કલ્યાણ હો,’ એમ કહીને તેઓ મારા લોકનો કારી ઘા રૂઝવવા ઉપરછલ્લો ઉપચાર કરે છે. શું તેમને તેમના આ ઘૃણાજનક કૃત્યની શરમ આવી? ના, તેમને જરાય શરમ આવી નહિ; અને તેઓ ભોંઠા પડયા નહિ. તેથી બીજાઓની જેમ તેમનું પણ પતન થશે અને હું તેમને સજા કરીશ ત્યારે તેઓ ઉથલી પડશે. હું પ્રભુ આ બોલું છું.” પ્રભુએ પોતાના લોકને કહ્યું: “રસ્તાની ચોકડીમાં જઈ ઊભા રહો અને જુઓ; પ્રાચીન માર્ગો વિષે પૂછપરછ કરો, અને સાચો માર્ગ શોધી કાઢીને તે પર ચાલો, એટલે તમને નિરાંત વળશે. પણ તેમણે કહ્યું, ‘અમે એમ કરવાના નથી.’ તેથી મેં તેમના પર ચોકીદારો નીમીને તેમને કહ્યું, ‘ચેતવણી માટે રણશિંગડાનો સાદ સાંભળો’, પણ તેમણે કહ્યું, ‘અમે સાંભળવા માગતા નથી.” તેથી પ્રભુએ કહ્યું, “હે પ્રજાઓ, હે સમાજો, મારા લોકની શી દશા થશે તે વિષે સાંભળો. હે પૃથ્વીના લોકો સાંભળો: આ લોકોની કુયુક્તિઓના ફળસ્વરૂપે હું તેમના પર આફત લાવવાનો છું. કારણ, તેમણે મારા સંદેશ તરફ લક્ષ આપ્યું નથી, અને મારા નિયમશાસ્ત્રની અવજ્ઞા કરી છે. શેબા દેશથી આયાત કરેલા લોબાનની કે દૂર દેશના ધૂપની મારે શી જરૂર છે? અરે, તેમનાં દહનબલિ મને સ્વીકાર્ય નથી અને તેમનાં બલિદાનો મને પસંદ નથી.” તેથી પ્રભુ આ પ્રમાણે કહે છે, “જુઓ, આ લોકના માર્ગમાં હું અવરોધ મૂકીશ, જેથી તેઓ ઠોકર ખાઈને ગબડી પડશે. પિતા અને પુત્રો તથા પડોશીઓ તથા મિત્રો એક સાથે નાશ પામશે.” પ્રભુ આ પ્રમાણે કહે છે, “જુઓ, ઉત્તર તરફના દેશમાંથી એક પ્રજા આવી રહી છે, પૃથ્વીના અંતિમ ભાગમાંથી એક બળવાન પ્રજા ચડાઈ કરવા આવી રહી છે. તેઓ ધનુષ્ય અને ભાલાથી સજ્જ થયેલા છે અને તેઓ અત્યંત ક્રૂર અને ઘાતકી છે. તેઓ ઘોડેસ્વાર થઈને આવે છે. ગરજતા સાગરની જેમ, હે યરુશાલેમ, તેઓ તારી વિરુદ્ધ એક બનીને યુદ્ધ કરવા ક્તારબદ્ધ થઈ ધસી આવે છે.” યરુશાલેમના લોકો કહે છે, “અમે એ સમાચાર સાંભળ્યા છે, અમે ગભરાઈ ગયા છીએ, અને અમે પ્રસૂતિની વેદના જેવી પીડામાં પટક્યા છીએ. અમે બહાર નીકળવાની કે રસ્તા પર ચાલવાની હિંમત કરી શક્તા નથી; કારણ, અમારા દુશ્મનો શસ્ત્રસજ્જ છે, અને ચોમેર આંતક છવાયો છે.” પ્રભુ પોતાના લોકોને કહે છે, “હે મારાં સંતાનો, શોક પ્રદર્શિત કરવા તાટ પહેરીને રાખમાં આળોટો; જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે વિલાપ કરે, તેમ હૈયાફાટ રુદન કરો; કારણ, તમારો વિનાશક ઓચિંતો ત્રાટકશે. હે યર્મિયા, ધાતુ પારખનારની જેમ તું મારા લોકનાં આચરણની પારખ કર. તેઓ સઘળા રીઢા બંડખોરો છે, તેઓ તાંબા અને લોખંડ જેવા સખત છે; તેઓમાંનો એકેએક ભ્રષ્ટ અને અફવા ફેલાવનાર છે. ધમણ જોરથી ફૂંક્યા કરે છે, અને સીસુ અગ્નિમાં બળી જાય છે પણ કચરો છૂટો પડતો નથી અને રૂપું શુદ્ધ થતું નથી; દુષ્ટો પણ એ રીતે દૂર થતા નથી. તેઓ તો રૂપાના નકામા કચરા જેવા છે. કારણ, મેં પ્રભુએ તેમને કચરો ગણીને ફેંકી દીધા છે.” પ્રભુ તરફથી યર્મિયાને આ સંદેશો મળ્યો: “પ્રભુના મંદિરના દરવાજે ઊભો રહી આ સંદેશ પ્રગટ કરતાં કહે; હે યહૂદિયાના સર્વ લોકો, તમે જેઓ આ દરવાજાઓથી પ્રવેશીને પ્રભુની ભક્તિ કરવા જાઓ છો તેઓ પ્રભુનો સંદેશ સાંભળો. સેનાધિપતિ પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે: તમારાં સમગ્ર અનુસરણ અને આચરણમાં સુધારો કરો તો હું આ સ્થળે તમને વસવા દઈશ. ‘આ પ્રભુનું મંદિર છે, આ પ્રભુનું મંદિર છે, આ પ્રભુનું મંદિર છે’: એવા ભ્રામક શબ્દો પર ભરોસો મૂકશો નહિ. જો તમે તમારું સમગ્ર આચરણ અને તમારાં કાર્યો સુધારો અને એકબીજા સાથે પ્રામાણિકપણે વર્તો, પરદેશી, અનાથ અને વિધવાનું શોષણ ન કરો, અને નિર્દોષજનોનું રક્ત ન વહેવડાવો અને અન્ય દેવોની પૂજા કરીને તમારું નુક્સાન વહોરી ન લો, તો જ હું આ સ્થળે એટલે, જે દેશ મેં તમારા પૂર્વજોને કાયમી વારસા તરીકે આપ્યો હતો તેમાં તમને વસવા દઈશ. “યાન દો, તમે તો હજી એ છેતરામણા શબ્દો પર નિરર્થક ભરોસો રાખો છો. તમે ચોરી, ખૂન અને વ્યભિચાર કરો છો, જૂઠા સોગંદ ખાઓ છો, બઆલ દેવને ધૂપ ચડાવો છો અને અજાણ્યા દેવોની પૂજા કરો છો. પછી મારે નામે ઓળખાતા આ મંદિરમાં આવીને મારી સમક્ષ ઊભા રહી તમે કહો છો, ‘અમે અહીં સલામત છીએ’ અને પછી પાછા આ બધાં ઘૃણાજનક કાર્યો જારી રાખો છો. મારે નામે ઓળખાતું આ મંદિર શું તમારી દષ્ટિમાં લૂંટારાઓનું ધામ છે? પણ યાદ રાખો કે મેં એ બધું જાતે જોયું છે. હું પ્રભુ પોતે એ બોલું છું. મારે નામે ભક્તિ કરવા મેં સૌ પ્રથમ પસંદ કરેલા શીલોહ નગરમાં જાઓ અને મારા લોક ઇઝરાયલના પાપને લીધે મેં તેની કેવી દુર્દશા કરી તે જુઓ! છતાં તમે તમારાં દુષ્કૃત્યો ચાલુ રાખ્યાં છે અને હું તો તમને વારંવાર આગ્રહથી ચેતવતો રહ્યો છું, પણ તમે મારી વાણી સાંભળી નથી; મેં બોલાવ્યા ત્યારે તમે ઉત્તર આપ્યો નથી. તેથી મારે નામે ઓળખાતું આ મંદિર, જેના પર તમે ભરોસો રાખો છો, અને જે સ્થળ મેં તમારા પૂર્વજોને અને તમને આપ્યું હતું તેની દશા શીલોહ જેવી જ કરીશ. અને જેમ મેં તમારા જાતભાઈઓ એફ્રાઈમના વંશજો, અરે, ઇઝરાયલના બધા લોકોને હાંકી કાઢયા એમ હું તમને મારી નજર સામેથી હાંકી કાઢીશ. હું પ્રભુ પોતે એ બોલું છું.” પ્રભુએ મને કહ્યું, “યર્મિયા, આ લોકો માટે પ્રાર્થના કરીશ નહિ. તેમની તરફેણમાં આજીજી કે વિનંતી કરીશ નહિ અથવા મારી પાસે તેમના હક્કમાં મયસ્થી કરીશ નહિ. કારણ, હું તારી અરજ સાંભળવાનો નથી. યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં તેઓ શું શું કરે છે, એ તું જોતો નથી? આકાશની રાણી નામની દેવી માટે પોળી બનાવવા બાળકો લાકડાં એકઠાં કરે છે, તેમના પિતાઓ અગ્નિ સળગાવે છે અને સ્ત્રીઓ લોટ ગૂંદે છે, તથા મને ક્રોધિત કરવા અન્ય દેવો આગળ દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડે છે. શું એમ કરીને તેઓ મને ચીડવવા માંગે છે? ના, હું પ્રભુ કહું છું કે તેઓ તો પોતાને જ ચીડવે છે; કારણ, તેઓ જ ભોંઠા પડવાના છે.” તેથી પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “હું આ સ્થાન પર મારો કોપ રેડી દઈશ અને લોકો, પ્રાણીઓ, વૃક્ષો અને ખેતરો તેનો ભોગ બનશે. એ કોપ સતત સળગતો રહેશે અને હોલવી શકાશે નહિ.” પ્રભુ પરમેશ્વર, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે, “હે મારા લોક, કેટલાંક બલિદાનોનું તમે સંપૂર્ણ દહન કરો છો અને કેટલાંક બલિદાનમાંથી તમને ખાવાની છૂટ છે. પણ હવે તમે ભલે બધાં જ બલિદાનમાંથી ખાઓ! કેમ કે જ્યારે હું તમારા પૂર્વજોને ઇજિપ્તમાંથી છોડાવી લાવ્યો ત્યારે મેં તમને માત્ર દહનબલિ અને અન્ય બલિદાન વિષે કંઈ કહ્યું નહોતું કે આજ્ઞા આપી નહોતી. મેં તમને એ પણ કહ્યું હતું કે, મારી વાણીને આધીન થાઓ એટલે હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોક થશો. તમારું સમગ્ર આચરણ મારી આજ્ઞાઓ પ્રમાણે રાખો તો તમારું ભલું થશે. પણ તેમણે ન તો આજ્ઞાઓ પાળી કે ન તો કંઈ લક્ષ આપ્યું; પણ તેઓ પોતાને ફાવે તેમ તેમના જક્કી અને કુટિલ દયના દુરાગ્રહ પ્રમાણે વર્ત્યા; તેઓ પાછા હઠયા, પણ આગળ વયા નહિ. તમારા પૂર્વજો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી મેં મારા સેવકો એટલે સંદેશવાહકોને તેમની પાસે તથા તમારી પાસે વારંવાર આગ્રહથી મોકલ્યા. છતાં લોકોએ સાંભળ્યું નહિ કે ધ્યાન આપ્યું નહિ, પણ એને બદલે, જક્કી દયના થઈને તેમના પૂર્વજો કરતાં પણ વધુ બંડખોર બન્યા. “તેથી યર્મિયા, તું આ બધી વાતો મારા લોકને કહીશ, પણ તેઓ તારું સાંભળશે નહિ; તું તેમને બોલાવીશ, પણ તેઓ તને ઉત્તર આપશે નહિ. તેથી તું તેમને કહેજે, ‘આ એ જ પ્રજા છે કે જે ઈશ્વરની વાણીને આધીન થતી નથી કે તેમની શિખામણ સ્વીકારતી નથી.’ સત્યનિષ્ઠા મરી પરવારી છે, કોઈના મુખમાં સત્ય રહ્યું નથી.” શોક દર્શાવવા મુંડન કરાવી લટો ફગાવી દો, ઉજ્જડ ટેકરીઓ પર વિલાપગીત ગાઓ; કારણ, મેં પ્રભુએ ક્રોધે ભરાઈને આ પેઢીની પ્રજાને તરછોડી દીધી છે. પ્રભુ કહે છે, ‘યહૂદિયાના લોકોએ દુષ્ટ કાર્ય કર્યું છે; હું જેની સખત ઘૃણા કરું છું તેવી મૂર્તિઓને મારા મંદિરમાં સ્થાપીને તેમણે તેને અપવિત્ર કર્યું છે. તેમણે હિન્‍નોમની ખીણમાં તોફેથ નામનું પૂજાનું ઉચ્ચસ્થાન બાંધ્યું છે; જેથી તેના પર તેઓ તેમનાં પુત્રપુત્રીઓને અગ્નિથી દહન કરીને બલિ તરીકે ચડાવી શકે. આ પ્રમાણે કરવાની મેં આજ્ઞા આપી નથી, અરે, મારા મનમાં એનો વિચાર સરખો ય કદી આવ્યો નથી! તેથી હું પ્રભુ કહું છું કે એવો સમય આવશે જ્યારે એ સ્થાનને તોફેથ કે હિન્‍નોમની ખીણ કહેવામાં આવશે નહિ, પણ ‘સંહારની ખીણ’ કહેવામાં આવશે. કારણ, જરાપણ જગા ખાલી ન રહે ત્યાં સુધી તેઓ તોફેથમાં મૃતદેહો દફનાવશે. આ મૃતદેહો ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ થઈ પડશે; અને તેમને હાંકી કાઢનાર કોઈ હશે નહિ! હું યહૂદિયાનાં નગરોમાંથી અને યરુશાલેમની શેરીઓમાંથી આનંદ અને હર્ષના અવાજો તથા વર અને કન્યાનો કિલ્લોલ બંધ કરી દઈશ, અને સમગ્ર દેશ ઉજ્જડ થઈ જશે.” પ્રભુ કહે છે, “એ સમયે યહૂદિયાના રાજાઓનાં, અધિકારીઓનાં, યજ્ઞકારોનાં, સંદેશવાહકોનાં અને યરુશાલેમના રહેવાસીઓનાં હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે. સૂર્ય, ચંદ્ર અને તારાઓ જેના પર તેઓ અહોભાવ રાખતા હતા, જેમની તેઓ પૂજા કરતા હતા, અનુસરતા હતા અને સલાહ પૂછતા હતા, અને જેમને તેઓ નમન કરતા હતા તેમની સમક્ષ તે હાડકાં વેરવામાં આવશે; એ હાડકાં એકઠાં કરીને દફનાવાશે નહિ, પણ ભૂમિના પૃષ્ઠ પર ખાતરરૂપ પડયાં રહેશે. વળી, આ દુષ્ટ પ્રજાના બાકી રહી ગયેલા જનોને જે સ્થળોમાં હું નસાડી મૂકું ત્યાં તેમને જીવવા કરતાં મરવું વિશેષ પસંદ પડશે. આ હું સેનાધિપતિ સર્વશક્તિમાન પ્રભુ એ બોલું છું.” યરુશાલેમના લોકોને આવું કહેવાને પ્રભુએ મને કહ્યું: “જો કોઈ પડી જાય તો શું તે પાછો ઊભો થતો નથી? જો કોઈ રસ્તો ભૂલી જાય તો શું પાછો ફરતો નથી? તો પછી તમે મારાથી વિમુખ થઈને સતત પીછેહઠ કેમ કરી રહ્યા છો? તમે ભરમાવી દેનાર મૂર્તિઓને વળગી રહો છો અને મારી તરફ પાછા ફરવાની ના પાડો છો. જો કે હું તમને ધ્યનથી સાંભળું છું, પણ તમે પસ્તાવાનો એક શબ્દ પણ ઉચ્ચારતા નથી; ‘અરે, મેં આ શું કર્યું;’ એવું કહીને એક પણ વ્યક્તિ પોતાની દુષ્ટતા માટે ખેદ કરતી નથી. ઘોડો યુદ્ધમાં ધસી જાય તેમ દરેક જન પતન તરફ ધસે છે. આકાશમાં ઊડનાર બગલો પોતાનો પાછા ફરવાનો નિયત સમય જાણે છે; કબૂતર, અબાબીલ અને સારસ તેમના સ્થળાંતરનો સમય સાચવે છે. પણ મારા લોકને મારા નિયમની સમજ નથી. તમે એમ કઈ રીતે કહી શકો કે, ‘અમે જ્ઞાની છીએ અને પ્રભુનું નિયમશાસ્ત્ર અમારી પાસે છે?’ હકીક્તમાં, નિયમશાસ્ત્રના લહિયાઓની જૂઠી કલમે તેને જૂઠું કરી નાખ્યું છે. જ્ઞાનીજનો શરમાઈ ગયા છે. મૂંઝવણમાં પડી ગયા અને ફસાઈ ગયા છે. તેમણે તો મારા સંદેશની અવગણના કરી છે; પછી તેમની પાસે જ્ઞાન ક્યાંથી હોય? તેથી તેમની પત્નીઓ બીજાઓને સોંપાશે, તેમનાં ખેતરો નવા માલિકોને સોંપવામાં આવશે. કારણ, નાનામોટા બધા જ અધમ લાભના લાલચુ બન્યા છે. અરે, સંદેશવાહકો તથા યજ્ઞકારો પણ ઠગબાજી કરે છે. હકીક્તમાં, કલ્યાણ નથી ત્યારે ‘કલ્યાણ હો, કલ્યાણ હો’ એમ કહીને તેઓ મારા લોકનો કારી ઘા રુઝવવા ઉપરછલ્લો ઉપચાર કરે છે! શું તેમને તેમના આ ઘૃણાજનક કૃત્યની શરમ આવી? ના, તેમને જરાય શરમ આવી નહિ અને તેઓ ભોંઠા પડયા નહિ. તેથી બીજાઓની જેમ તેમનું પણ પતન થશે અને હું તેમને સજા કરીશ ત્યારે તેઓ ઉથલી પડશે. હું પ્રભુ આ બોલું છું.” “જેમ કોઈ ફસલ એકઠી કરે તેમ હું મારા લોકને એકઠા કરવા માંગતો હતો, પણ તેઓ તો દ્રાક્ષ વગરના દ્રાક્ષવેલા અને અંજીર વગરના અંજીરવૃક્ષ જેવા છે, અરે, પાંદડાં પણ ચીમળાઈ ગયાં છે, તેથી મેં તેમને જે કંઈ આપ્યું તે તેમની પાસેથી જતું રહેશે.” લોકોએ કહ્યું, “આપણે શા માટે બેસી રહ્યા છીએ? ચાલો, આપણે એકત્ર થઈને કિલ્લેબંધ નગરોમાં જઈએ અને ત્યાં મોત વહોરી લઈએ. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ આપણો નાશ નિશ્ર્વિત કર્યો છે. આપણે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે તેથી તેમણે આપણને ઝેર પીવા આપ્યું છે. આપણે આબાદીની આશા રાખી હતી, પરંતુ કંઈ હિત થયું નહીં; સાજા થવાની આશા હતી, પણ એને બદલે આતંક આવી પડયો. ઉત્તરની સરહદે આવેલા દાન નગરથી શત્રુના અશ્વોનો હણહણાટ સંભળાય છે; તેમના પાણીદાર અશ્વોની તબડકથી આખી ધરતી ધ્રૂજી ઊઠી છે. દુશ્મનો આપણો આખો પ્રદેશ અને તેમાંનું સર્વસ્વ તથા બધાં નગરો અને રહેવાસીઓનો નાશ કરવાને આવી રહ્યા છે. ધ્યાનમાં લો કે હું તમારી વચમાં મંત્રથી પણ વશ ન થાય એવા ઝેરી સાપ અને નાગ મોકલું છું અને તે તમને કરડશે. હું પ્રભુ પોતે આ કહું છું.” શોક મને ઘેરી વળ્યો છે મારું હૃદય બેહોશ થયું છે. સાંભળો, આખા દેશમાંથી મારા લોકના રુદનનો પોકાર સંભળાય છે. લોકો પૂછે છે, “શું પ્રભુ સિયોનનગરમાં નથી? શું સિયોનનગરનો રાજા ત્યાં ઉપસ્થિત નથી?” પ્રભુ કહે છે, “તો પછી તેમણે વ્યર્થ તથા પારકા દેવદેવીઓની મૂર્તિઓની પૂજા કરીને મને કેમ ચીડવ્યો છે?” ઉનાળો પસાર થઈ ગયો છે, અરે, કાપણીની મોસમ પણ પૂરી થઈ છે. છતાં, અમારો ઉગારો થયો નથી. મારા લોકના ઘા જોઈને મારું હૃદય ઘાયલ થયું છે. હું શોકગ્રસ્ત છું, અને ભયભીત થયો છું. શું ગિલ્યાદમાં કોઈ વિકળાના વૃક્ષનો લેપ ઉપલબ્ધ નથી? શું ત્યાં કોઈ વૈદ નથી? તો પછી મારા લોકનો કારી ઘા હજુ કેમ રૂઝાયો નથી? મારું માથું પાણીનો ભંડાર હોત અને મારી આંખો આંસુઓનાં ઝરણાં હોત તો મારા લોકમાંથી માર્યા ગયેલાઓ માટે હું રાતદિવસ રુદન કર્યા જ કરત! મારે માટે રહેવાને વેરાનપ્રદેશમાં વટેમાર્ગુઓના ઉતારાનું સ્થાન હોત તો મારા લોકને તજીને તેમનાથી દૂર જતો રહેત. કારણ, તેઓ બધા વ્યભિચારીઓ છે; તેઓ દગાખોરોની ટોળકી છે. તેઓ ધનુષ્યની જેમ પોતાની જીભ વાળીને જૂઠનાં વાકાબાણ મારે છે, અને દેશમાં સત્યનું નહિ પણ જૂઠનું રાજ ચાલે છે! તેઓ દુષ્ટતા પર દુષ્ટતા આચર્યે જાય છે, અને પ્રભુને ઓળખતા નથી, એવું પ્રભુ પોતે કહે છે. દરેકે, એકબીજા પ્રત્યે સાવધ રહેવું, અરે, સગા ભાઈ પર પણ ભરોસો ન રાખવો. કારણ, દરેક ભાઈ યાકોબ જેવો છેતરનાર અને દરેક મિત્ર નિંદાખોર બનશે. દરેક પોતાના પડોશીને છેતરે છે, અને કોઈ જ સાચું બોલતું નથી! તેમની જીભ જૂઠું બોલવાથી ટેવાઈ ગઈ છે. તેઓ દુષ્ટતા કરવામાં પાછા પડતા નથી. જૂઠાણા પર જૂઠાણું, છેતરપિંડી પર છેતરપિંડી, તેઓ પ્રભુને ઓળખવાનો ઈનકાર કરે છે, એવું પ્રભુ પોતે કહે છે. તેથી સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું મારા લોકને ધાતુની જેમ ગાળીને પારખીશ, મારા લોકને માટે એ સિવાય હું બીજું કરું પણ શું? તેમની જીભ તીક્ષ્ણ તીર જેવી છે; તેમના મુખમાં સદા છેતરપિંડી હોય છે. દરેક પોતાના પડોશી સાથે મિત્રભાવે બોલે છે, પણ મનમાં તેનો ઘાત કરવાનું કાવતરું ઘડે છે. આ બધાને લીધે શું હું તેમને સજા ન કરું? આવી પ્રજા પર હું બદલો ન લઉં? હું પ્રભુ એ બોલ્યો છું.” હું પર્વતોને માટે શોકગીત ગાઈશ, અને ઘાસચારાનાં મેદાનો માટે હું રુદન કરીશ. કારણ, તે એવાં સુકાઈ ગયાં છે કે ત્યાંથી કોઈ પસાર પણ થતું નથી! ત્યાં હવે ઢોરોનો અવાજ સંભળાતો નથી. આકાશનાં પક્ષીઓ અને પશુઓ નાસી છૂટીને જતાં રહ્યાં છે. પ્રભુ કહે છે, “હું યરુશાલેમને ખંડેર અને શિયાળોનું કોતર બનાવીશ. યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી નાખીશ, અને કોઈ તેમાં વસશે નહિ.” મેં કહ્યું: “હે પ્રભુ, શા માટે આ દેશ ઉજ્જડ થયો છે અને તે રણની જેમ સુકાઈ ગયો છે કે તેમાંથી કોઈ પસાર પણ થતું નથી? એ સમજવાને કોઈ જ્ઞાની છે? કોના મુખે પ્રભુ એ જણાવવા માગે છે?” પ્રભુએ મને કહ્યું, “મારા આપેલા નિયમશાસ્ત્રનો લોકોએ ત્યાગ કર્યો તેથી આ બન્યું છે. તેમણે મારી વાણી સાંભળી નથી કે તે મુજબ આચરણ કર્યું નથી. એને બદલે, તેઓ પોતાના દયના દુરાગ્રહને અનુસર્યા અને તેમના પૂર્વજોએ શીખવ્યા પ્રમાણે બઆલદેવની મૂર્તિઓની પૂજા કરી.” તેથી સેનાધિપતિ પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે, “હું તેમને ખાવાને માટે કીરમાણીનો ઝેરી છોડવો અને પીવાને માટે ઝેર આપીશ. તેઓ કે તેમના પૂર્વજો જેમને ઓળખતા નથી એવી પ્રજાઓ મધ્યે હું તેમને વિખેરી નાખીશ અને તેમનો સંહાર થાય ત્યાં સુધી તેમની પાછળ તલવાર મોકલીશ.” સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “વિચાર કરો, અને શોકગીતો ગાનારી સ્ત્રીઓને બોલાવો, શોક કરવામાં પ્રવીણ સ્ત્રીઓને આમંત્રણ આપો.” લોકોએ કહ્યું, “તેઓ ઉતાવળથી આવે અને અમારે માટે શોકગીત ગાય, જેથી અમારી આંખો ચોધાર આંસુએ રડે, અને અમારાં પોપચાંમાંથી આંસુ ઊભરાય.” સાચે જ સિયોનનગરમાંથી વિલાપનો મોટો અવાજ સંભળાય છે: “આપણો કેવો નાશ થયો છે, આપણે કેવા લજ્જિત થયા છીએ! આપણે આ દેશ તજવો પડશે. કારણ, આપણા આવાસો તોડી પાડયા છે.” મેં કહ્યું, “હે સ્ત્રીઓ, પ્રભુની વાણી સાંભળો અને તેમના મુખના શબ્દો પર કાન દો. તમારી પુત્રીઓને પણ વિલાપગીત ગાતાં શીખવો, અને તમારી સહેલીઓને પણ મૃત્યુગીત શીખવો.” મોત આપણી બારીઓમાંથી આવી ચઢયું છે. તેણે આપણા કિલ્લાઓમાં પ્રવેશ કર્યો છે અને તેણે શેરીઓમાં બાળકોને અને ચોકમાં યુવાનોનો સંહાર કર્યો છે. મને આવું બોલવાનું કહેવામાં આવ્યું છે કે આ તો પ્રભુની વાણી છે: “ખેતરમાં વેરાયેલા ખાતરની જેમ મૃતદેહો રઝળે છે, અને કાપણી કરનારાઓની પાછળ રહી ગયેલા પૂળાઓની જેમ તેમને કોઈ ઉપાડતું નથી.” પ્રભુ આ પ્રમાણે કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે, પહેલવાન પોતાના બળ વિષે અને શ્રીમંત પોતાના ધન વિષે ગર્વ કરે નહિ. પણ જો ખરેખર કોઈએ ગર્વ કરવો જ હોય તો મને ઓળખવા માટે તેની પાસે સમજ છે, એ જ વાતનો ગર્વ કરવો; કારણ, હું પ્રભુ તેમના પર અવિચળ પ્રેમ દર્શાવું છું, અને પૃથ્વી પર ન્યાય અને નીતિ જાળવું છું, અને એમનાથી જ હું પ્રસન્‍ન થાઉં છું. આ તો હું પ્રભુ પોતે બોલું છું.” પ્રભુ કહે છે કે, “એવો સમય આવે છે કે, જ્યારે હું ઇજિપ્તને, યહૂદિયાને, અદોમને, આમ્મોનીઓને, મોઆબીઓને, તેમ જ બાજુએથી દાઢી મૂંડેલી હોય એવી રણપ્રદેશમાં ભટક્તી જાતિઓને, એ સૌને સજા કરીશ. મને ઓળખતા નહિ હોવાને લીધે હું સર્વ સુન્‍નતરહિત વિદેશીઓને અને શારીરિક સુન્‍નત થી મારી સાથે કરારબદ્ધ થયા હોવા છતાં મારા પ્રત્યેની નિષ્ઠામાં તેમના દયની દુષ્ટતામાં સુન્‍નતરહિત હોવાને લીધે ઇઝરાયલને સજા કરીશ.” હે ઇઝરાયલના લોકો, તમારે માટેનો પ્રભુનો સંદેશ સાંભળો. પ્રભુ આ પ્રમાણે કહે છે: બીજી પ્રજાઓના રીતરિવાજો શીખશો નહિ, બીજા દેશોમાં લોકો ભલે ભયભીત થાય, પણ તમે આકાશમાંના અસામાન્ય દેખાવો થી ગભરાશો નહિ. એ લોકોની મૂર્તિપૂજાની વિધિઓ નકામી છે. જંગલમાંથી લાકડું કાપી લાવવામાં આવે છે, કારીગર તે લાકડા પર ઓજારોથી કોતરકામ કરે છે, પછી તેને સોનાચાંદીથી શણગારવામાં આવે છે; વળી તે ગબડી ન પડે માટે હથોડા વડે ખીલાથી જડવામાં આવે છે. આવી મૂર્તિઓ, ક્કડીની વાડીમાં મૂકેલા ચાડિયા જેવી છે; તેઓ બોલી શક્તી નથી; તેમને ઊંચકીને લઈ જવી પડે છે, કારણ, તેઓ ચાલી શક્તી નથી. તેમનાથી ગભરાશો નહિ; કારણ, તેઓ કંઈ નુક્સાન કરી શક્તી નથી, કે કંઈ ભલું પણ કરી શક્તી નથી! હે યાહવે, તમારા સમાન કોઈ નથી; તમે મહાન છો; તમારું નામ મહાન અને સામર્થ્યવાન છે. તમે બધી પ્રજાઓના રાજા છો. કોણ તમારા પ્રત્યે ભક્તિભાવ ન દાખવે? સાચે જ, એ તમારો અધિકાર છે. સર્વ પ્રજાઓના જ્ઞાનીઓમાં અને તેમનાં સર્વ રાજ્યોમાં તમારા જેવું કોઈ જ નથી. તેઓ બધા જ અક્કલહીન અને મૂર્ખ છે; તેઓ લાકડાંની મૂર્તિઓ પાસેથી શું શીખી શકે? લોકો તાર્શીશથી ચાંદી અને ઉફાઝથી સોનું લાવે છે, કારીગર મૂર્તિઓને ઘડે છે, અને સોની તેમને મઢે છે, તેમને જાંબલી તથા રાતાં વસ્ત્રો પહેરાવવામાં આવે છે; એ બધી મૂર્તિઓ તો કારીગરોએ બનાવેલી છે, પરંતુ યાહવે તો સાચા ઈશ્વર છે; તે જીવંત ઈશ્વર છે, અને સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી ધ્રૂજે છે અને વિદેશી પ્રજાઓ તેમનો રોષ સહી શક્તી નથી. તમારે એ લોકોને કહેવું કે જેમણે આકાશ તથા પૃથ્વી સર્જ્યા નથી એવા એ દેવો પૃથ્વી પરથી અને આકાશ તળેથી નષ્ટ થઈ જશે. ઈશ્વરે પોતાના સામર્થ્યથી પૃથ્વીની રચના કરી, પોતાના જ્ઞાનથી તેને સંસ્થાપિત કરી, અને પોતાની પ્રજ્ઞાથી આકાશને વિસ્તાર્યું. જ્યારે તે આજ્ઞા કરે છે, ત્યારે આકાશી ધુમ્મટ ઉપરનાં પાણી ગર્જના કરે છે, તે પૃથ્વીની ક્ષિતિજો પરથી વાદળાં ઊંચે ચઢાવે છે, વરસાદના તોફાનમાં વીજળી ચમકાવે છે, અને પોતાના ભંડારમાંથી પવનો મોકલે છે. એ જોઈને માનવીઓ અવાકા બની જાય છે, અને મૂર્તિ ઘડનાર કારીગરો શરમાઈ જાય છે, કારણ કે, પ્રતિમાઓ ખોટી અને નિર્જીવ છે. તેઓ વ્યર્થ અને ભ્રામક છે. પ્રભુ તેમને સજા કરશે ત્યારે તેમનો નાશ થશે. યાકોબના હિસ્સા સમાન ઈશ્વર તેમના જેવા નથી; તે તો સકળ સૃષ્ટિના સર્જનહાર છે અને તેમણે ઇઝરાયલ પ્રજાને પોતાના વારસ તરીકે નીમી છે. તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. ભાવિ દેશનિકાલ: વિલાપ અને પ્રાર્થના હે યરુશાલેમના લોકો, તમે ઘેરી લેવાયા છો, તમારાં પોટલાં ઉઠાવો અને દેશમાંથી ભાગો! ઓ દેશના રહેવાસીઓ, પ્રભુ તમને ગોફણના ગોળાની જેમ ફંગોળી દેશે. તમને કચડી નાખવામાં આવશે, અને તે તમને નીચોવીને નાખી દેશે. પ્રભુ આ પ્રમાણે કહે છે. દેશ આખો પોકારે છે: “અરેરે, મને અસહ્ય ઘા લાગ્યો છે, આ તો અસાય જખમ છે! મેં તો ધાર્યું હતું કે, હું એની વેદના વેઠી લઈશ! મારો તંબૂ ઉજ્જડ બન્યો છે, અને તેનાં દોરડાં તોડી નાખવામાં આવ્યાં છે. મારાં બધાં સંતાનો મને છોડીને જતા રહ્યાં છે, અને તેમાંનું કોઈ રહ્યું નથી. મારો તંબૂ બાંધવા માટે અને પડદા લટકાવવા માટે કોઈ રહ્યું નથી.” મેં કહ્યું, “અમારા રાજર્ક્તાઓ તો મૂર્ખ પાલકો છે. તેમણે પ્રભુની સલાહ શોધી નથી. તેથી તેઓ નિષ્ફળ ગયા છે, અને તેમના સર્વ લોકો વેરવિખેર થયા છે. અરે, સાંભળો; સમાચાર આવ્યા છે, ઉત્તર તરફના દેશમાંથી મોટો કોલાહલ સંભળાય છે; યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી દેવા અને તેમને શિયાળોનો વાસ બનાવી દેવા લશ્કર આવી રહ્યું છે! હે પ્રભુ, હું જાણું છું કે મર્ત્ય માનવીનું ભાવિ તેના નિયંત્રણમાં નથી; તેનામાં પોતાનો જીવનમાર્ગ નક્કી કરવાની ક્ષમતા નથી. હે પ્રભુ, તમારા ન્યાયના ધોરણે અમને શિક્ષા ભલે કરો, પણ ક્રોધથી નહિ, નહિ તો અમે નેસ્તનાબૂદ થઈ જઈશું. પરંતુ જે પ્રજાઓ તમને માનતી નથી, અને તમારે નામે ભક્તિ કરતી નથી તેમના પર તમારો રોષ ઠાલવો. કારણ, તેઓ યાકોબના વંશજોને ભરખી ગયા છે; અરે, ભરખી જઈને તેમને તદ્દન ખતમ કરી નાખ્યા છે, તેમનો વિનાશ કર્યો છે અને તેમના રહેઠાણને ઉજ્જડ કર્યું છે.” યર્મિયાને પ્રભુ તરફથી આ સંદેશ મળ્યો. “યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓને મારા કરારની શરતો કહી સંભળાવ. તેમને કહે કે, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે: જે માણસ આ કરારની શરતો પાળતો નથી તેના પર શાપ ઊતરશે. મેં તમારા પૂર્વજોને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે મેં એ કરાર કર્યો હતો અને તેમને કહ્યું હતું, કે જો તેઓ મારી વાણીને અનુસરશે અને મારી એકેએક આજ્ઞા પ્રમાણે વર્તશે તો તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ અને હું તેમને દૂધમધની રેલમછેલવાળો દેશ આપીશ. તમારા પૂર્વજોને આપેલું એ વચન તો મેં પૂરું કર્યું છે.” ત્યારે મેં ઉત્તર આપ્યો, “હે પ્રભુ, આમીન!” પછી પ્રભુએ મને કહ્યું, “યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં મારો સંદેશ પ્રગટ કરીને કહે કે, કરારની શરતો સાંભળો અને તે પાળો. હું તમારા પૂર્વજોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો ત્યારથી આજ સુધી મેં તેમને વારંવાર આગ્રહથી ચેતવણી આપ્યા કરી છે કે મારી વાણીને આધીન રહો. છતાં તેઓ આધીન થયા નહિ, કે ધ્યાન આપ્યું નહિ, પણ એને બદલે તેઓ સૌ પોતાના દયના દુરાગ્રહને અનુસર્યા. મેં તેમને આજ્ઞા આપી હતી પણ તેમણે કરારની શરતો પાળી નહિ. તેથી એ બધી શરતો મુજબની સજા હું તેમના પર લાવ્યો છું.” પછી પ્રભુએ મને કહ્યું, “યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓએ મારી વિરુદ્ધ કાવતરું ઘડયું છે. તેઓ તેમના પૂર્વજો જેમણે મારો સંદેશ સાંભળવાની ના પાડી તેમનાં પાપો તરફ વળ્યા છે, અને તેમણે અન્ય દેવોને અનુસરીને તેમની પૂજા કરી છે. ઇઝરાયલ અને યહૂદિયા એ બન્‍ને રાજ્યના લોકોએ તેમના પૂર્વજોની સાથે કરેલો મારો કરાર તોડયો છે. તેથી હું પ્રભુ પોતે તેમને જણાવું છું કે, હું તેમના પર આપત્તિ લાવીશ અને તેઓ તેમાંથી બચી શકશે નહિ, તેઓ મને મદદ માટે પોકાર કરશે, પણ હું તેમનું સાંભળીશ નહિ. ત્યાર પછી યહૂદિયાના લોકો અને યરુશાલેમવાસીઓ જેમની આગળ તેઓ ધૂપ બાળતા હતા તે દેવો પાસે જઈને પોકાર કરશે, પરંતુ તેમની આપત્તિને સમયે એ દેવો તેમને જરાય મદદ કરી શકશે નહિ. કારણ, યહૂદિયાનાં જેટલાં નગરો તેટલા તેમના દેવો છે. યરુશાલેમમાં જેટલી શેરીઓ છે તેટલી વેદીઓ તેમણે શરમજનક બઆલ દેવ આગળ ધૂપ બાળવા માટે બાંધી છે. તેથી હે યર્મિયા, તું આ લોક માટે પ્રાર્થના કરીશ નહિ, તેમને માટે આજીજી કે વિનંતી કરીશ નહિ. કારણ, તેઓ મને આપત્તિને સમયે મદદ માટે પોકારશે, પણ હું તેમનું સાંભળીશ નહિ.” પ્રભુ કહે છે. “મારી પ્રિયાને મારા મંદિરમાં આવવાનો શો અધિકાર છે? તેણે તો ભ્રષ્ટ કાર્યો કર્યાં છે. શું તે એમ માને છે કે માનતા માનવાથી કે પ્રાણીઓનાં બલિદાનો ચડાવવાથી તે આપત્તિ રોકી શકશે? શું ભૂંડું કર્યા પછી તે હરખાશે? એક વેળાએ મેં તને ‘લીલુંછમ, સુંદર અને ફળદાયી ઓલિવ વૃક્ષ’ એવું નામ આપ્યું હતું. પણ હવે પ્રચંડ મેઘગર્જના સાથે વીજળી નાખીને હું તેનાં પાંદડાંને સળગાવી દઈશ અને તેની ડાળીઓ ભાંગી નાખીશ. મેં સેનાધિપતિ પ્રભુએ ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોને રોપ્યા હતા, પણ હવે હું તેમના પર આપત્તિ ફરમાવું છું. કારણ, તેમણે બઆલદેવને ધૂપ ચડાવવાની અધમતા આચરીને મને તેમના પર ક્રોધિત કર્યો છે.” મારા શત્રુઓ મારી વિરુદ્ધ કાવતરું ઘડતા હતા તે વિષે પ્રભુએ મને જાણ કરી ત્યારે જ મને તેમનાં દુષ્કૃત્યોની સમજ પડી. એ પહેલાં તો હું નિર્દોષ ઘેટાને ક્તલ માટે લઈ જવામાં આવે છે તેના જેવો અજાણ હતો. તેઓ મારી જ વિરુદ્ધ પ્રપંચ રચી રહ્યા છે તેની મને ખબર નહોતી. તેઓ કહેતા હતા, “વૃક્ષ ફૂલ્યુંફાલ્યું છે ત્યારે જ તેને કાપી નાખીએ; આપણે તેને આ જીવતાંની દુનિયામાંથી હણી નાખીએ, કે જેથી કોઈ તેનું નામ યાદ કરે નહિ.” ત્યારે મેં પ્રભુને પ્રાર્થના કરી, “હે સેનાધિપતિ પ્રભુ, તમે અદલ ન્યાયાધીશ છો. તમે દયની લાગણીઓ અને અંતરના ઇરાદાને પારખો છો. મેં મારી દાદ તમારી આગળ રજૂ કરી છે. તો હવે આ લોકો પર તમે જે બદલો લેશો તે મને જોવા દો.” અનાથોથના જે લોકો મારું ખૂન કરવા માગતા હતા અને જેમણે મને ધમકી આપી હતી કે, ‘યાહવેને નામે ઉપદેશ કરવાનું ચાલુ રાખીશ તો અમે તને મારી નાખીશું’ તેમને વિષે પ્રભુ કહે છે; હા, સેનાધિપતિ પ્રભુ કહે છે, “હું તેમને સજા કરીશ. તેમના યુવાનો યુદ્ધમાં માર્યા જશે. તેમનાં પુત્રો અને પુત્રીઓ દુકાળને લીધે ભૂખમરાથી મરશે. અલબત્ત, કોઈ જીવતું રહેવા પામશે નહિ; કારણ, અનાથોથના લોકો પર હું નક્કી કરેલા સમયે આપત્તિ લાવીશ.” હે પ્રભુ, તમે ન્યાયી છો; હું તમારી સામે ફરિયાદ કરું તોય તમે જ સાચા ઠરવાના છો, છતાં અમુક બાબતો સંબંધી હું તમારી સાથે વિવાદ કરવા ચાહું છું. શા માટે દુષ્ટો આબાદ થાય છે, અને કપટી માણસો સુખી થાય છે? તમે તેમને રોપો છો, અને તેઓ જડ નાખે છે, તેઓ વૃદ્ધિ પામીને ફળવંત થાય છે. તેમને મુખે તમારું નામ હોય છે, પણ તેમના મનથી તમે દૂર હો છો! પરંતુ હે પ્રભુ, તમે મને ઓળખો છો અને મારું આચરણ જુઓ છો, અને મારા દયના વિચારોની પારખ કરો છો; ક્તલખાને લઈ જવાતા ઘેટાંની જેમ તેમને ઘસડી જાઓ; ક્તલના દિવસને માટે તેમને અલગ કરો. ક્યાં સુધી અમારો દેશ સૂકોભઠ રહેતાં ગમગીન રહેશે, અને બધાં ખેતરોનું ઘાસ ચીમળાઈ જશે? પ્રાણીઓ અને પક્ષીઓ નષ્ટ થઈ રહ્યાં છે, કારણ, આ દેશના લોકો દુષ્ટ છે. તેઓ કહે છે કે, ‘અમે શું કરીએ છીએ એ ઈશ્વર ક્યાં જુએ છે?’ પ્રભુએ ઉત્તર આપ્યો, “હે યર્મિયા, જો તું માણસો સાથેની શરતદોડમાં થાકી જાય છે, તો પછી તું ઘોડાઓ સાથે કઈ રીતે હરીફાઈ કરી શકે? જો તું સલામત પ્રદેશમાં નિર્ભય રહી શક્તો નથી, તો યર્દન નદીની ગીચ ઝાડીમાં તારું શું થશે? જો તારા જાતભાઈઓએ અને તારા કુટુંબીજનોએ તને દગો દીધો છે; તેઓ તારી પીઠ પાછળ તારી વિરુદ્ધ અતિશય નિંદા કરે છે. જો કે તેઓ તારી સામે મીઠી વાતો કરે, તો પણ તું તેમનો ભરોસો રાખીશ નહિ.” પ્રભુ કહે છે, “મેં મારો દેશ ઇઝરાયલ છોડી દીધો છે, મારા વારસા સમી પ્રજાનો ત્યાગ કર્યો છે, અને મારી પ્રાણપ્રિય પ્રજાને તેના શત્રુઓના હાથમાં સોંપી દીધી છે. મારા વારસા સમી મારી પ્રજાએ જંગલમાંના સિંહની જેમ મારી વિરુદ્ધ ગરજીને મને પડકાર્યો છે. તેથી હું તેને ધિક્કારું છું. શું મારી પસંદ કરેલી પ્રજા રંગબેરંગી પક્ષી જેવી છે કે શિકારી પક્ષીઓ તેની આસપાસ ઊડયા કરે છે? જાઓ, સર્વ માંસાહારી પશુઓને એકઠાં કરો, કે તેઓ તેની મિજબાની ઉડાવે! ઘણા વિદેશી રાજર્ક્તાઓએ ભરવાડોની જેમ મારી દ્રાક્ષવાડી ભેલાડી છે, તેમણે મારાં ખેતરોને ખૂંદયા છે, તેમણે મારા રળિયામણા દેશને ખેદાનમેદાન કરી નાખ્યો છે. તેમણે તેને ઉજ્જડ કરી દીધો છે. આખો દેશ ઉજ્જડ થઈને મારી સમક્ષ ઝૂરે છે સમગ્ર ભૂમિ વેરાન બની છે, અને કોઈ તેની કાળજી રાખતું નથી. વેરાનપ્રદેશના ઉચ્ચપ્રદેશમાં થઈને વિનાશકો ચઢી આવ્યા છે. સમગ્ર દેશનો નાશ કરવા મેં યુદ્ધ લાદયું છે અને કોઈ કહેતાં કોઈને શાંતિ નથી. મારા લોકે ઘઉં વાવ્યા, પણ કાંટાં લણ્યા છે! તેમણે કઠોર પરિશ્રમ કર્યો, પણ કશું પાકયું નથી! મારા ઉગ્ર કોપને લીધે ફસલ નિષ્ફળ ગઈ છે, તેથી તેઓ હતાશ બન્યા છે.” ઇઝરાયલ આસપાસ વસતી દુષ્ટ પ્રજાઓ વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે. “મેં મારા લોકને વારસા તરીકે આપેલ વિભાગનો તેમણે નાશ કર્યો છે. પણ હું તે પ્રજાઓને તેમના દેશમાંથી ઉખેડી નાખીશ અને તેમના હાથમાંથી યહૂદિયાના લોકોને ખૂંચવી લઈશ. એ પ્રજાઓને ઉખેડી નાખ્યા પછી હું તેમના પર દયા કરીશ અને દરેક પ્રજાને પોતાના વતનમાં અને પોતાના દેશમાં પાછી લાવીશ. તે પછી જો તેઓ પોતાના પૂર્ણ દયથી મારા લોકના ધાર્મિક વિધિઓ શીખશે અને જેમ એક વેળાએ તેમણે મારા લોકને બઆલદેવને નામે શપથ લેતા શીખવ્યું હતું તેમ તેઓ ‘યાહવેના જીવના સમ’ એમ મારે નામે સોગંદ લેતા થશે તો તેઓ પણ મારા લોકની જેમ આબાદ થશે. પણ જો કોઈ પ્રજા આધીન થશે નહિ તો હું તે પ્રજાને જડમૂળથી ઉખેડી નાખીને તેનો નાશ કરીશ. હું પ્રભુ એ બોલ્યો છું.” પ્રભુએ મને કહ્યું, “જા અને તારે માટે અળસીરેસાનું કમરે બાંધવાનું વસ્ત્ર ખરીદ અને તેને તારી કમરે બાંધ, પણ તેને પાણીમાં પલળવા દઈશ નહિ. તેથી પ્રભુની આજ્ઞા પ્રમાણે મેં કમરે બાંધવાનું વસ્ત્ર ખરીદયું અને તેને કમરે બાંધ્યું ત્યાર પછી ફરીથી મારી પાસે પ્રભુનો સંદેશ આવ્યો. “તેં કમરે બાંધવાનું જે વસ્ત્ર વેચાતું લઈને તારી કમરે બાંધ્યું છે તે લઈને યુફ્રેટિસ નદીએ જા અને ત્યાં તેને ખડકની ફાટમાં સંતાડી દે.” *** તેથી હું યુફ્રેટિસ નદીએ ગયો અને તેને પ્રભુની આજ્ઞા પ્રમાણે સંતાડી દીધું. ઘણા દિવસ પછી પ્રભુએ મને યુફ્રેટિસ નદીએ જઈને ત્યાં સંતાડેલું કમરે બાંધવાનું વસ્ત્ર પાછું લઈ આવવા કહ્યું. તેથી મેં યુફ્રેટિસ નદીએ જઈને ખોદયું અને જે જગ્યાએ મેં તે સંતાડી રાખ્યું હતું ત્યાંથી તે બહાર કાઢયું. અલબત્ત, કમરે બાંધવાનું એ વસ્ત્ર બગડી જઈને તદ્દન નકામું અને બીનઉપયોગી થઈ ગયું હતું. ત્યારે પ્રભુનો સંદેશ મને મળ્યો. “પ્રભુ આ પ્રમાણે કહે છે. આ જ પ્રમાણે હું યહૂદિયાનો અહંકાર અને યરુશાલેમનો અતિશય ગર્વ ઉતારી પાડીશ. *** કમરે બાંધવાના આ નકામા થઈ ગયેલા વસ્ત્ર જેવી તેમની દશા થશે. કારણ, આ દુષ્ટ લોકો મારો સંદેશ સાંભળવાની જ ના પાડે છે અને એને બદલે, તેમણે પોતાના દયના દુરાગ્રહને અનુસરીને બીજા દેવોની સેવાપૂજા કરી છે. જેમ કમરે બાંધવાનું વસ્ત્ર માણસની કમરે વીંટળાઈ રહે છે તેમ ઇઝરાયલ અને યહૂદિયાની સમગ્ર પ્રજાને મેં મારી કમરે વીંટાળી હતી; જેથી તેઓ મારા લોક બને અને તેઓ મારી કીર્તિ, મારી પ્રશંસા અને મારો મહિમા થાય, પણ તેમણે મારું સાંભળ્યું નહિ.” પ્રભુએ મને કહ્યું, “તું યહૂદિયાના લોકોને આ કહેવત કહેજે, ‘દ્રાક્ષાસવની દરેક સુરાહી ભરેલી થશે.’ તેઓ એમ કહે કે, ‘શું અમે નથી જાણતા કે ‘દરેક સુરાહી દ્રાક્ષાસવથી ભરેલી થશે?’ ત્યારે તું તેમને આ પ્રમાણે કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘આ દેશના સર્વ રહેવાસીઓને એટલે દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓથી માંડીને યજ્ઞકારો, સંદેશવાહકો અને યરુશાલેમના સર્વ નાગરિકોને હું જલદ દ્રાક્ષાસવથી ચકચૂર કરી દઈશ. પછી તે સૌને, પિતાઓ અને પુત્રોને પણ એકબીજા સાથે અથડાવીશ. કોઈપણ જાતની દયા, મમતા કે કરૂણા દાખવ્યા વગર હું તેમનો નાશ કરીશ. હું પ્રભુ પોતે એ કહું છું.” હે લોકો, કાન દઈને સાંભળો, અભિમાન કરશો નહિ, કેમ કે પ્રભુ બોલી રહ્યા છે. અંધકાર છવાય અને અંધારી ટેકરીઓ પર ઠોકર ખાઈને પડો તે પહેલાં, અને તમે પ્રકાશની આશા રાખી હતી પણ એને બદલે તે તેને ઊંડી ગમગીની અને ઘોર અંધકારમાં ફેરવી નાખે તે પહેલાં, તમારા ઈશ્વર પ્રભુને માન આપો. પણ જો તમે સાંભળશો જ નહિ, તો તમારા અહંકારને લીધે મારો જીવ ગુપ્તમાં ઝૂરશે, હું ઊંડાં ડૂસકાં ભરતો રહીશ, અને મારી આંખો ચોધાર આંસુએ રડશે; કારણ, પ્રભુના લોકને બંદી બનાવીને લઈ જવાશે. પ્રભુએ મને કહ્યું “રાજા તથા રાજમાતાને કહે કે, તમારા રાજ્યાસન પરથી ઊતરીને નીચે બેસો, કારણ, તમારા મસ્તક પરથી તમારા સુંદર રાજમુગટ પડી ગયા છે. દક્ષિણે નેગેબ વિસ્તારમાં નગરો ઘેરો ઘાલીને બંધ કરી દેવામાં આવ્યાં છે, અને કોઈ ઘેરો તોડી નાસી છૂટે એમ નથી. યહૂદિયાના સર્વ લોકોને બંદી બનાવી દેશનિકાલ કરવામાં આવ્યા છે; કોઈ કહેતાં કોઈ દેશનિકાલથી બાકી રહ્યું નથી. હે યરુશાલેમ, તારી નજર ઉઠાવીને જો! ઉત્તર તરફથી તારા શત્રુઓ આવી રહ્યા છે. ઘેટાંના ટોળાની જેમ તને જેની સંભાળ સોંપાઈ હતી અને જેનું તને ગૌરવ હતું તે તારા લોક કયાં છે? જેમને તેં તાલીમ આપીને આગેવાન બનાવ્યા હતા તેઓ જ્યારે તારા જ પર અધિકાર ચલાવે ત્યારે તું શું કરીશ? તને પ્રસૂતાના જેવી વેદના નહિ થાય? કદાચ તું પૂછે કે, આ બધું મારા પર કેમ આવી પડયું? તો જાણજે કે તારાં ભયાનક પાપને કારણે તારી નગ્નતા ઉઘાડી કરાઈ છે અને તારા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. શું કોઈ કૂશી પોતાની ચામડીનો કાળો રંગ બદલી શકે? શું ચિત્તો પોતાનાં ટપકાં દૂર કરી શકે? જો એ શકાય બને તો દુષ્ટતા આચરવાને ટેવાયેલા તમે સદાચરણ કરી શકો!” પ્રભુ કહે છે, “હે યરુશાલેમ, જેમ અનાજનું ભૂસું રણના પવનથી ઊડી જાય તેમ હું તારા લોકને વેરવિખેર કરી નાખીશ. આ જ તારો હિસ્સો છે; મેં જ તે ફાળવી આપ્યો છે. કારણ, તારા લોક મને ભૂલી ગયા અને તેમણે જૂઠા દેવો પર ભરોસો મૂક્યો છે. તેથી હું તને નગ્ન કરી દઈશ અને તારી લાજ દેખાશે. કારણ, મેં તારા લોકોનાં શરમજનક કાર્યો જોયાં છે; એટલે કે, તેમનાં વ્યભિચારી કામો, વાસનાભર્યા ખોંખારા તથા ટેકરીઓ પર અને ખેતરોમાં તેમનાં દુષ્કૃત્યો મેં જોયાં છે. તારા લોકોની કેવી દુર્દશા! તેઓ શુદ્ધ થવા ચાહતા નથી. ક્યાં સુધી તારી આવી દશા રહેશે?” યર્મિયાને પ્રભુનો દુકાળ વિષેનો સંદેશ મળ્યો, “યહૂદિયા વિલાપ કરે છે, તેનાં નગરો ઝૂરે છે, તેમના લોકો ભૂમિગત થઈ શોક કરે છે અને યરુશાલેમ મદદને માટે પોકાર કરે છે. તેમના અમીરઉમરાવો નોકરોને પાણી લેવા મોકલે છે, તેઓ પાણીના ટાંકા પાસે જાય છે, પણ પાણી મળતું નથી; તેથી તેઓ ખાલી વાસણો સાથે પાછા ફરે છે. હતાશા અને મૂંઝવણમાં તેઓ શરમથી પોતાનાં મુખ ઢાંકે છે. વરસાદ પડયો નથી અને જમીન સુકાઈને ફાટી ગઈ છે, તેથી ખેડૂતો નિરાશ થઈ ગયા છે; અને દુ:ખમાં પોતાનાં મુખ ઢાંકે છે. અરે, ઘાસ ન હોવાથી હરણી પણ બચ્ચાને જન્મ આપીને તેને મેદાનમાં તજી દે છે! જંગલી ગધેડા ઉજ્જડ ટેકરી પર ઊભા રહીને શિયાળવાની માફક હાંફે છે; ઘાસચારાના અભાવે તેમની આંખો નબળી પડી ગઈ છે. લોકો મને પ્રભુને વિનંતી કરે છે: ‘જો કે અમારાં પાપ અમને દોષિત ઠરાવે છે, તોપણ તમારી નામનાને ખાતર અમને મદદ કરો! અમે વારંવાર તમારો ત્યાગ કર્યો છે અને તમારી જ વિરુદ્ધ અમે પાપ કર્યાં છે. હે પ્રભુ, એકલા તમે જ ઇઝરાયલની આશા છો તેમજ અમને આફતમાંથી ઉગારનાર છો. તો પછી તમે દેશમાં વસતા વિદેશી સમાન, અને રાતવાસા માટે રોક્યેલા મુસાફર સમાન કેમ થયા છો? અચાનક મૂંઝવણમાં પડી ગયેલા માણસના જેવા અને અણીને વખતે મદદ ન કરી શકે તેવા સૈનિક જેવા તમે કેમ થયા છો? ના, પ્રભુ ના, તમે તો અમારી મધ્યે જ છો; અમે તમારે નામે ઓળખાઈએ છીએ, અમને તજી દેશો નહિ!” આ લોકો વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે, “આમ જ તેમને મારાથી દૂર ભટકવાનું ગમે છે અને તેથી પોતા પર કાબૂ રાખી શક્તા નથી. તેથી હું પ્રભુ પણ તેમને સ્વીકારતો નથી. પણ હવેથી હું એમના દોષ યાદ રાખીને તેમના પાપને લીધે તેમને સજા કરીશ.” પ્રભુએ મને કહ્યું, “આ લોકોના ભલા માટે મને પ્રાર્થના કરીશ નહિ. તેઓ ઉપવાસ કરે તો પણ હું તેમની વિનંતીઓ સાંભળીશ નહિ, તેઓ દહનબલિ અને ધાન્ય અર્પણ ચડાવે તો હું તે સ્વીકારીશ નહિ. એથી ઊલટું, હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો અંત આણીશ.” પછી મેં કહ્યું, “અરેરે, હે પ્રભુ પરમેશ્વર, બીજા સંદેશવાહકો તેમને કહ્યા કરે છે કે, ‘તમે યુદ્ધ જોશો નહિ અને દુકાળનો ભોગ થઈ પડશો નહિ, કારણ ઈશ્વર તમને આ દેશમાં કાયમી આબાદી બક્ષશે.” પણ પ્રભુએ મને જવાબ આપ્યો, “બીજા સંદેશવાહકો મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરે છે. મેં તેમને મોકલ્યા નથી કે તેમને કોઈ આજ્ઞા આપી નથી. અરે, હું તેમની સાથે બોલ્યો પણ નથી. તેઓ તેમના ઉપદેશમાં ખોટાં સંદર્શનો, નકામી આગાહીઓ અને પોતાના મનની કલ્પનાઓનો ઉપયોગ કરે છે” તેથી પ્રભુ આ પ્રમાણે કહે છે, “જે સંદેશવાહકોને મેં મોકલ્યા નથી છતાં મારે નામે સંદેશ પ્રગટ કરે છે અને આ દેશમાં યુદ્ધ કે દુકાળ આવશે નહિ એવું કહ્યા કરે છે તેમને જ હું યુદ્ધનો અને દુકાળનો ભોગ બનાવી દઈશ. વળી, જે લોકોને તેમણે સંદેશ આપ્યો હતો તેઓ પણ યુદ્ધ અને દુકાળનો ભોગ બનીને યરુશાલેમની શેરીઓમાં ફેંકાશે; તેમને, તેમની પત્નીઓને તેમના પુત્રોને અને પુત્રીઓને કોઈ દફનાવશે પણ નહિ. હું તેમના પર તેમની દુષ્ટતાની સજા ઉતારીશ.” પછી પ્રભુએ મને મારા શોક વિષે લોકોને જણાવવાની આજ્ઞા આપી. મારા લોક સખત રીતે ઘવાયા છે અને તેમને કારી ઘા પડયા છે. તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ સતત વહે છે, અને રાતદિવસ મારું રુદન બંધ પડતું નથી જો હું ખેતરમાં જાઉં, તો ત્યાં યુદ્ધમાં માર્યા ગયેલાઓનાં શબ જોઉં છું. જો નગરમાં પ્રવેશ કરું, તો દુકાળથી પીડાતા લોકોને જોઉં છું. સંદેશવાહકો અને યજ્ઞકારો દેશમાં હાંફળાફાંફળા બનીને ભટકે છે અને શું કરવું તે તેમને સૂઝતું નથી. હે પ્રભુ, શું તમે યહૂદિયાનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે? શું તમે સિયોનને તમારા મનથી ધિક્કારો છો? તો પછી ફરી સાજા થવાની આશા જ ન રાખી શકાય એવી અસહ્ય ઈજા શા માટે પહોંચાડો છો? અમે આબાદીની આશા રાખી હતી, પણ કંઈ હિત થયું નહિ; સાજા થવાની આશા હતી, પણ એને બદલે આતંક આવી પડયો! હે પ્રભુ, અમે અમારા અપરાધ કબૂલ કરીએ છીએ, અને અમારા પૂર્વજોનો સમગ્ર દોષ સ્વીકારીએ છીએ. અરે, અમે બધાએ તમારી જ વિરુદ્ધ પાપ કર્યું છે. તમારા નામની ખાતર અમને તરછોડશો નહિ. તમારા ગૌરવી રાજ્યાસન સમાન યરુશાલેમને અપમાનિત કરશો નહિ. અમારી સાથેનો તમારો કરાર યાદ કરો અને એને તોડશો નહિ. શું બીજી પ્રજાઓની નકામી મૂર્તિઓ વર્ષા લાવી શકે? શું આકાશ પોતાની મેળે ઝાપટાં વરસાવી શકે? હે પ્રભુ, એકલા તમે જ એ કરો છો. હે અમારા ઈશ્વર, અમે તમારા પર જ આશા રાખીએ છીએ, કારણ, તમે જ આ બધું કરી શકો છો.” પછી પ્રભુએ મને કહ્યું, “જો મોશે અને શમુએલ જાતે જ મારી સમક્ષ તેમને માટે મયસ્થી કરે, તો પણ આ લોકો પર હું દયા દર્શાવીશ નહિ. હું તેમને હાંકી કાઢીશ અને મારી સમક્ષથી દૂર મોકલી દઈશ. જો તેઓ એમ પૂછે કે ‘અમારે ક્યાં જવાનું છે?’ તો તેમને કહેજે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: “જેઓ રોગચાળાથી મરવાના છે તેઓ રોગચાળા તરફ જશે, જેઓ યુદ્ધમાં મરવાના છે તેઓ યુદ્ધ તરફ જશે, જેઓ દુકાળમાં મરવાના છે તેઓ દુકાળ તરફ જશે, અને જેઓ દેશનિકાલ માટે નિર્માણ થયા છે તેઓ દેશનિકાલ થશે. મેં તેમને માટે ચાર બાબતો નક્કી કરી છે: સંહારને માટે તલવાર, શબ તાણી જવા કૂતરાં, અને તેમનો ભક્ષ કરવા અને નાશ કરવા ગીધડાં અને જંગલી પશુઓ. હિઝકિયાના પુત્ર અને યહૂદિયાના રાજા મનાશ્શાએ યરુશાલેમમાં આચરેલાં અધમ કૃત્યોને લીધે હું તેમની એવી દુર્દશા કરીશ કે તેમને જોઈને દુનિયાની બધી પ્રજાઓ હાહાકાર કરશે. હું પ્રભુ એ બોલ્યો છું.” પ્રભુ કહે છે, “હે યરુશાલેમના લોકો, તમારા પર કોણ દયા દાખવશે? તમારે માટે કોણ વિલાપ કરશે? તમારી ખબર પૂછવા કોણ ઊભું રહેશે? તમે મને તજી દીધો છે, અને મારાથી વિમુખ થઈ ઉત્તરોત્તર વિશેષ દૂર થતા રહ્યા છો. તેથી તમારા પ્રત્યે દયા દર્શાવતાં હું કંટાળી ગયો, અને મેં મારા હાથના પ્રહારથી તમારો નાશ કર્યો છે. તમે તમારાં અધમ આચરણ તજયાં નહિ, તેથી મેં તમને ઊપણીને દેશનાં નગરોમાં ભૂસાની જેમ વેરી નાખ્યા, અને તમારાં સંતાનોથી તમારો વિયોગ કરાવ્યો. મેં જ મારા લોકનો વિનાશ કર્યો છે. મેં જ તમારા દેશમાં દરિયાની રેતીના કણ કરતાં વધારે વિધવાઓ બનાવી છે. મેં તમારા જુવાનોને તેમની ભરજુવાનીમાં મારી નાખ્યા છે, અને તેમની માતાઓને વિલાપ કરાવ્યો છે; એમ મેં તેમના પર અચાનક વેદના અને આતંક મોકલ્યાં છે. સાત સાત સંતાન ગુમાવનાર માતા મૂર્છા ખાઈને પડી છે; તેનો શ્વાસ રુંધાય છે. તેને માટે દિવસ રાત્રિ સમાન થઈ પડયો છે, તે વ્યથિત અને વ્યાકુળ છે અને હજુ પણ તમારામાંથી બાકી રહી ગયેલાં જનોને હું શત્રુની તલવારને સ્વાધીન કરીશ. હું પ્રભુ એ બોલ્યો છું.” અરે, હું કેવો દુર્ભાગી માણસ છું! મારી માતાએ મને કેમ જન્મ આપ્યો? આખા દેશમાં સૌને માટે હું ફરિયાદ કરનાર અને દાવો માંડનાર બન્યો છું. મેં કોઈના પૈસા ઉછીના લીધા નથી કે કોઈને ઉછીના દીધા નથી, છતાં બધા મને શાપ દે છે! હે પ્રભુ, જો મેં તેમના ભલા માટે તમારી સેવા કરી ન હોય, અને તેમને શત્રુઓથી બચાવવા માટે તમને વિનંતી ન કરી હોય, જો તેમના આફત અને દુ:ખના સમયે મેં તમને પ્રાર્થના ન કરી હોય, તો એ બધા શાપ મારા પર ઊતરો. શું કોઈ લોખંડ તોડી શકે અથવા ઉત્તરનું તાંબા મિશ્રિત લોખંડ તોડી શકે? પ્રભુએ મને કહ્યું, “સમગ્ર દેશમાં કરાતાં પાપોને કારણે મારા લોકની સંપત્તિ અને ધન લૂંટવા હું શત્રુઓને મોકલીશ. તેઓ જાણતા નથી એવા દેશમાં તેમને તેમના શત્રુઓની ગુલામી કરવા મોકલીશ; કારણ, મારો કોપ અગ્નિની જેમ સતત બળ્યા કરશે.” પછી મેં કહ્યું, “હે પ્રભુ, તમે બધું જ જાણો છો; મને સંભારો અને મારી મદદે આવો, મારા પર જુલમ કરનારાઓ પર બદલો લો. તેઓ મને ખતમ કરી નાખે ત્યાં સુધી તેમના પ્રત્યે ધીરજ ન દાખવો. યાદ રાખો કે, તમારે લીધે હું આ અપમાન સહું છું. તમારા સંદેશાઓ મને મળ્યા અને મેં તેમને ખોરાકની જેમ ખાધા; અને તે મારે માટે હર્ષ અને આનંદરૂપ થઈ પડયા. હે યાહવે, સેનાધિપતિ ઈશ્વર, હું તમારે નામે ઓળખાતો તમારો સેવક છું. આનંદકિલ્લોલ કરતી ટોળકી સાથે હું મજા માણવા બેઠો નથી, હું તો એકલો જ બેઠો; કારણ, તમે મને તમારા હાથથી જકડી રાખ્યો, અને તેમના પ્રત્યેના તમારા રોષે ભરાયો હતો. શા માટે મારી વેદનાનો અંત આવતો નથી? શા માટે મારા ઘા અસાય બન્યા છે અને રુઝાતા નથી? અરેરે, તમે મારે માટે ઉનાળામાં સૂકાઈ જવાથી છેતરતા ઝરણા સમાન કેમ બન્યા છો?” એ વિષે પ્રભુએ આ પ્રમાણે ઉત્તર આપ્યો, “જો તું પાછો ફરીશ તો હું તને મારી સેવામાં પુન: સ્થાપીશ અને તું મારી સમક્ષ સેવા કરીશ. જો તું માત્ર મારો મૂલ્યવાન સંદેશ પ્રગટ કરીશ, અને તેમાં નિરર્થક બાબતોની ભેળસેળ કરીશ નહિ, તો તું મારો પ્રવક્તા બનીશ. લોકોને તારી પાસે આવવા દે, પણ તું જાતે તેમની પાસે જઈશ નહિ. તો આ લોકો માટે હું તને તાંબાની અભેદ્ય દીવાલ જેવો બનાવીશ. તેઓ ભલે તારા પર આક્રમણ કરે પણ તેઓ તને હરાવી શકશે નહિ, કારણ, તને મદદ કરવાને તથા ઉગારી લેવાને, હું તારી સાથે છું. હું પ્રભુ આ બોલું છું. દુષ્ટ લોકોના સકંજામાંથી હું તને છીનવી લઈશ અને ઘાતકી લોકોની પકડમાંથી હું તને મુક્ત કરીશ.” ફરીથી પ્રભુનો સંદેશ મને મળ્યો; “આ સ્થળે તું લગ્ન કરીશ નહિ કે તને બાળકો થાય નહિ. કારણ, આ સ્થળે જન્મેલાં બાળકો અને તેમને જન્મ આપનાર માતાપિતા વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે: “તેઓ જીવલેણ રોગથી મૃત્યુ પામશે. તેમને માટે કોઈ શોક કરશે નહિ કે તેમનું દફન થશે નહિ, પણ તેમનાં શબ જમીન પર ખાતરની જેમ પથરાયાં હશે. તેઓ યુદ્ધથી અને દુકાળથી મરશે અને તેમનાં શબ ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ બનશે.” વળી, પ્રભુએ આ પ્રમાણે કહ્યું, “જે ઘરમાં શોક કરાતો હોય તેમાં પ્રવેશ કરીશ નહિ. તેમના રુદનમાં ભાગ લઈશ નહિ કે સાંત્વન આપીશ નહિ. કારણ, મેં આ લોકો પરથી મારી શાંતિ, મારો અવિચળ પ્રેમ અને મારી કરુણા લઈ લીધાં છે. આ દેશમાં ગરીબતવંગર બધાં મૃત્યુ પામશે. તેમનાં શબ દફનાવાશે નહિ; તેમને માટે કોઈ શોક કરશે નહિ અથવા શોકમાં કોઈ પોતાને ઘાયલ કરશે નહિ કે માથું મુંડાવશે નહિ. સ્નેહીજનના મૃત્યુ પ્રસંગે શોક્તિોને દિલાસો આપવા માટે કોઈ તેમને જમાડશે નહિ, અરે, કોઈનાં માતપિતા મરી ગયાં હોય તોપણ દિલાસાનો પ્યાલો પીવડાવશે નહિ. એ જ પ્રમાણે મિજબાની થતી હોય એ ઘરમાં પણ પ્રવેશ કરીશ નહિ, અને લોકો સાથે બેસી મહેફિલમાં ભાગ લઈશ નહિ. કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું, કે આ સ્થળે તારી નજર સામે, તારી હયાતીમાં જ હું આનંદ અને હર્ષના પોકાર તથા વર અને કન્યાના કિલ્લોલ શાંત પાડી દઈશ. આ બધું તું લોકોને કહેશે ત્યારે લોકો તને પૂછશે કે, ‘શા માટે પ્રભુએ આવી ભયંકર આફતો અમારા પર લાવવાનું નક્કી કર્યું છે? અમારો શો ગુનો છે? અમે અમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ એવું તે શું પાપ કર્યું છે?’ ત્યારે તું તેમને કહેજે: પ્રભુ કહે છે, કે તમારા પૂર્વજો મને તરછોડીને અન્ય દેવોને અનુસર્યા, અને તેમણે તેમની સેવાપૂજા કરી. તેમણે મારો ત્યાગ કર્યો અને મારા નિયમશાસ્ત્રના શિક્ષણનું પાલન કર્યું નહિ. વળી, તમે લોકોએ તો તમારા પૂર્વજો કરતાં પણ વધારે અધમ કાર્યો કર્યાં! તમે બધા પોતાના દુષ્ટ દયના દુરાગ્રહ અનુસાર વર્તો છો અને મારું સાંભળતા નથી. તેથી હું તમને આ દેશમાંથી તમારા પૂર્વજો કે તમે જાણતા નથી એવા દેશમાં હાંકી કાઢીશ. ત્યાં તમે રાતદિવસ અન્ય દેવોની પૂજા કર્યા કરજો! હું તમારા પર દયા દર્શાવીશ નહિ.” પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે લોકો ‘ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી છોડાવી લાવનાર જીવંત પ્રભુ’ને નામે સોગંદ લેશે નહિ; પણ એને બદલે, ‘ઇઝરાયલીઓને ઉત્તરના દેશમાંથી અને તેમને જ્યાં વેરવિખેર કર્યા હતા તે બધા દેશોમાંથી પાછા લાવનાર જીવંત પ્રભુને નામે સોગંદ લેશે. કારણ, હું તેમને તેમના વતનમાં એટલે, તેમના પૂર્વજોને આપેલા દેશમાં પાછા લાવીશ.” પ્રભુ કહે છે, “આ લોકોને પકડવા હું ઘણા માછીમારોને બોલાવીશ. પછી હું ઘણા શિકારીઓને બોલાવીશ અને તેઓ દરેક પર્વત, ટેકરા કે ખડકનાં પોલાણોમાંથી તેમનો શિકાર કરશે. કેમકે તેમનાં બધાં કાર્યો પર મારી નજર છે અને તેઓ મારાથી છુપાયેલાં નથી કે તેમનો દોષ મારી નજર બહાર નથી. તેથી તેમનાં પાપ અને તેમની દુષ્ટતા માટે હું તેમને બમણી સજા કરીશ. કારણ, તેમણે પોતાની ખૂબ ધૃણાજનક અને નિર્જીવ મૂર્તિઓથી મારા દેશને ભ્રષ્ટ કર્યો છે અને તેમની ધિક્કારપાત્ર વસ્તુઓથી મારી વારસા સમાન ભૂમિને ભરી દીધી છે.” હે પ્રભુ, સંકટ સમયે મારું રક્ષણ કરનાર, મને શક્તિ આપનાર અને મને આશ્રય આપનાર તમે જ છો. પૃથ્વીના દૂર દૂરના વિસ્તારોમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે, “અમારા પૂર્વજો પાસેથી તો અમને વારસામાં જૂઠા દેવો અને નિર્જીવ અને નકામી મૂર્તિઓ જ મળી છે. શું મર્ત્ય માનવી પોતે પોતાને માટે દેવો ઘડી શકે? ના, જો તે એમ કરે તો તે હકીક્તમાં દેવ કહેવાય જ નહિ.” તેથી પ્રભુ કહે છે, “ત્યારે એ પ્રજાઓને એકવાર મારું સામર્થ્ય અને મારી શક્તિ બતાવીશ, અને તેઓ જાણશે કે મારું નામ યાહવે છે.” પ્રભુ કહે છે, “હે યહૂદિયાના લોકો, તમારાં પાપ લોઢાની કલમથી અને હીરાકણીથી લખાયાં છે અને તમારા દયપટ પર અને તમારી વેદીના ખૂણા પર કોતરાયેલાં છે. અશેરા દેવીને માટે દરેક લીલા વૃક્ષ નીચે, ટેકરાઓની ટોચે અને પર્વતોનાં શિખરો પર સ્થાપેલ તમારી વેદીઓ અને પ્રતીકોની તમે પૂજા કરો છો.** સમગ્ર દેશમાં તમે આચરેલા પાપને લીધે તમારી બધી ધનસંપત્તિ અને તમારો ખજાનો હું શત્રુઓને લૂંટી લેવા દઈશ. *** મેં તમને વારસા તરીકે આપેલ દેશ તમારે તજી દેવો પડશે અને અજાણ્યા દેશમાં હું તમારી પાસે તમારા શત્રુઓની સેવા કરાવીશ. કારણ, તમે મારો કોપાગ્નિ સળગાવ્યો છે અને તે સતત સળગતો રહેશે.” પ્રભુ કહે છે, “પ્રભુથી વિમુખ થઈને મર્ત્ય માણસ પર ભરોસો રાખનાર અને મનુષ્યના બળ પર જ આધાર રાખનાર શાપિત થશે. તે રણપ્રદેશમાંનાં સૂકાં ઝાંખરાં સમાન છે. તે જાણે કે સૂકા અને નિર્જળ પ્રદેશમાં ખારાપાટ અને નિર્જન પ્રદેશમાં વસે છે. તેથી જ્યારે આબાદી આવે ત્યારે તેને કંઈ લાભ થતો નથી. પરંતુ પ્રભુ પર ભરોસો રાખનાર, અને પ્રભુ પર આધાર રાખનાર આશીર્વાદિત છે. તે વ્યક્તિ પાણીની નજીક રોપાયેલા વૃક્ષ જેવી છે; તેનાં મૂળ ઝરણાં તરફ પહોંચે છે; તાપ પડે તેનો તેને ડર નથી; કારણ, તેનાં પાંદડાં લીલાંછમ રહે છે. તેને અનાવૃષ્ટિની પણ ચિંતા નથી! તે તો ફળ આપ્યે જ જાય છે. માનવી હૃદય સૌથી કપટી અને અતિશય ભ્રષ્ટ છે. તેને કોણ પારખી શકે? પણ હું પ્રભુ દયને તપાસું છું, અને અંત:કરણને પારખું છું, જેથી દરેક વ્યક્તિને તેનાં આચરણ પ્રમાણે અને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપું.” અન્યાયથી ધન પ્રાપ્ત કરનાર પોતે નહિ મૂકેલ ઈંડાં સેવનાર કોયલ સમાન છે. બચ્ચાં મોટા થઈને ખોટી માને તજી દે તેમ જીવનની અધવચમાં જ તેનું ધન ચાલ્યું જશે, અને લોકોની દષ્ટિમાં તે આખરે મૂર્ખ ગણાશે! આપણું મંદિર ગૌરવવંત રાજ્યાસન સમાન છે, આરંભથી જ તેને ઉન્‍નતસ્થાને સ્થાપવામાં આવેલું છે. હે પ્રભુ, તમે ઇઝરાયલની આશા છો. તમારો ત્યાગ કરનારા સર્વ લજ્જિત થશે. તમારાથી દૂર જનારા અધોલોકમાં નોંધાઈ જશે; કારણ, એ લોકોએ જીવનઝરણા સમાન પ્રભુનો ત્યાગ કર્યો છે. “હે પ્રભુ, મને સાજો કરો તો હું સાજો થઈશ. મને ઉગારો, તો હું ઉગરી જઈશ; કેમકે હું માત્ર તમારી જ સ્તુતિ કરું છું. લોકો મને પૂછયા કરે છે કે, ‘પ્રભુએ અમારી વિરુદ્ધ મોકલેલા સંદેશનું શું થયું? તો હવે તે પૂરો થવા દો!’ હે પ્રભુ, મેં તમને તેમના પર આપત્તિ મોકલવા આગ્રહ સેવ્યો નથી અથવા તેમને માટે સંકટનો સમય આવે તેવું ઇચ્છયું નથી. મારા મુખના શબ્દો તમે જાણો છો; તે તમારી સમક્ષ ખુલ્લા છે. તમે પોતે જ મારે માટે ભયરૂપ બનશો નહિ; આફતને સમયે તમે જ મારું શરણસ્થાન છો. મારો પીછો કરનારા ભલે શરમાય, પણ હું લજ્જિત ન થાઉ; તેઓ ભલે ભયભીત થાય, પણ હું ભયભીત ન થાઉ. તેમના પર આફત મોકલી આપો, અને તેમનો સદંતર નાશ કરો. પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, “હે યર્મિયા, યહૂદિયાના રાજાઓ જ્યાંથી નગરમાં પ્રવેશ કરે છે અને બહાર જાય છે તે ‘જનતાના દરવાજે’ અને પછી યરુશાલેમના બીજા બધા દરવાજે જઈને મારો સંદેશ પ્રગટ કર. યહૂદિયાના રાજાઓ અને યહૂદિયાના બધા લોકો અને આ દરવાજાઓમાં પ્રવેશ કરનાર યરુશાલેમ- વાસીઓને મારો સંદેશ સંભળાવ. હું પ્રભુ આ પ્રમાણે કહું છું: જો તમને તમારો જીવ વહાલો હોય તો સાબ્બાથદિને કોઈ બોજ ઊંચકશો નહિ અને યરુશાલેમના દરવાજાઓમાં થઈને સાબ્બાથદિને કશું અંદર લાવશો નહિ. એ જ પ્રમાણે તમારા ઘરોમાંથી સાબ્બાથદિને કશું બહાર લઈ જશો નહિ અને કોઈ રોજિંદું કામ કરશો નહિ. પણ સાબ્બાથદિનને પવિત્ર દિવસ તરીકે પાળો. તમારા પૂર્વજોને પણ મેં આ વિષે આજ્ઞા આપી હતી; પરંતુ તેમણે મારું માન્યું નહિ અને તે પ્રત્યે ધ્યાન આપ્યું નહિ; તેને બદલે, પોતાના જક્કીપણામાં તેમણે મારી વાણી સાંભળી નહિ કે મારી શિખામણ માની નહિ. હું પ્રભુ કહું છું કે જો તમે મારી વાત ખરેખર સાંભળો અને સાબ્બાથદિને આ નગરના દરવાજાઓમાંથી કોઈ માલસામાનની હેરફેર કરો નહિ, પણ સાબ્બાથદિનને પવિત્ર દિવસ તરીકે પાળો અને તેમાં કોઈ રોજિંદું કામ ન કરો, તો આ નગરના દરવાજાઓમાં થઈને દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓ રથ અને ઘોડાઓ પર સવાર થઈને પસાર થશે. તેઓ તથા તેમના અધિકારીઓ યહૂદિયાના લોકો અને યરુશાલેમના નિવાસીઓ સહિત આ દરવાજાઓમાં થઈને આવજા કરશે અને યરુશાલેમ સદા વસેલું રહેશે. યહૂદિયાનાં નગરોમાંથી, યરુશાલેમની આસપાસના વિસ્તારોમાંથી, બિન્યામીનના પ્રદેશમાંથી, નીચાણના પ્રદેશમાંથી તેમજ ઉચ્ચ પહાડી પ્રદેશમાંથી અને દક્ષિણના નેગેબ પ્રદેશમાંથી લોકો આવશે. તેઓ મારા મંદિરમાં દહનબલિ તથા બલિદાનો, ધાન્યઅર્પણો, ધૂપ તથા આભારબલિ લાવશે. પણ જો તમે મારું સાંભળશો નહિ, એટલે કે સાબ્બાથદિનને પવિત્ર દિવસ તરીકે પાળશો નહિ અને તે દિવસે બોજ ઊંચકશો તથા યરુશાલેમના દરવાજાઓમાં થઈને માલસામાનની હેરફેર કરશો તો હું એ દરવાજાઓને આગ ચાંપી દઈશ અને તે આગમાં યરુશાલેમના મહેલો સળગી જશે અને તે આગ બુઝાવી શકાશે નહિ.” પ્રભુ પાસેથી યર્મિયાને સંદેશ મળ્યો; તેમાં તેમણે તેને કહ્યું, “કુંભારને ઘેર જા; ત્યાં હું તને મારો સંદેશ આપીશ;” તેથી હું કુંભારને ઘેર ગયો. કુંભાર તો તેના ચાકડા પર કામ કરી રહ્યો હતો. *** માટીમાંથી જે વાસણ તે ઘડતો હતો તે તેના હાથમાં બગડી ગયું ત્યારે તેણે માટી લઈને ફરીથી પોતાને મનપસંદ પાત્ર ઘડયું. પછી પ્રભુનો સંદેશ મને મળ્યો અને તેમણે કહ્યું, “હે ઇઝરાયલના લોકો, આ કુંભાર જેમ માટી સાથે વર્ત્યો તેમ તમારી સાથે વર્તવાનો મને અધિકાર નથી? હું પ્રભુ એ પૂછું છું. હે ઇઝરાયલના લોકો, માટી જેમ કુંભારના હાથમાં છે તેમ તમે મારા હાથમાં છો! *** કોઈ વાર હું કોઈ પ્રજાને કે રાષ્ટ્રને ઉખેડી નાખવાની, તોડી પાડવાની કે વિનાશ કરવાની ચેતવણી આપું, પણ જો તે પ્રજા આપેલી ચેતવણી પ્રમાણે પોતાનાં દુષ્ટ આચરણ તજી દે તો હું તેના પર જે આફત લાવવાનો હતો તે વિચાર હું પડતો મૂકીશ. એ જ પ્રમાણે કોઈ વાર કોઈ પ્રજા કે રાષ્ટ્રને સ્થાપિત કે દઢ કરવાનો ઈરાદો રાખું, પણ તે પ્રજા મને આધીન ન થતાં મને નારાજ કરે તો તેમનું ભલું કરવાનો તે વિચાર હું માંડી વાળીશ. તેથી યહૂદિયાના લોકોને તથા યરુશાલેમ- વાસીઓને કહે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: હું તમારી વિરુદ્ધ એક આફત લાવવાની પેરવી કરું છું અને તમારી વિરુદ્ધ યોજના ઘડું છું. તેથી તમે દરેક પોતાનું દુષ્ટ આચરણ તજી દો અને તમારું સમગ્ર વર્તન અને તમારાં કાર્યો સુધારો.” પણ લોકોએ જવાબ આપ્યો, “તેમ કરવાનો હવે કોઈ અર્થ નથી. અમે તો અમારી યોજનાઓ પ્રમાણે વર્તીશું અને અમે દરેક પોતપોતાના જક્કી દયના દુરાગ્રહ પ્રમાણે આચરણ કરીશું. તેથી પ્રભુ આ પ્રમાણે કહે છે, “બીજી પ્રજાઓને પૂછી તો જુઓ, કે કોઈએ આવું કદી સાંભળ્યું છે! કન્યા સમાન મારી ઇઝરાયલની પ્રજાએ અતિશય આઘાતજનક કાર્ય કર્યું છે. લબાનોન પર્વતનાં ખડકાળ શિખરો શું કદી બરફ વગરનાં રહે? તેમાંથી વહેતાં ઠંડાં જળનાં ઝરણાં શું કદી સૂકાઈ જાય? તેમ છતાં મારા લોક મને વીસરી ગયા છે અને તેઓ વ્યર્થ મૂર્તિઓને ધૂપ ચડાવે છે. તેમણે સાચા માર્ગ પર ચાલવામાં ઠોકર ખાધી છે, અને પ્રાચીન માર્ગ તજીને આડા અને ક્ચા માર્ગે વળ્યા છે!” તેમણે આ ભૂમિની હાલત ભયંકર કરી મૂકી છે; તેને જોઈને ફિટકાર ઊપજે છે. તેની પાસેથી પસાર થનાર હાહાકાર મચાવે છે અને આઘાત પામીને માથું ધૂણાવે છે. પૂર્વના પવનથી જેમ ધૂળ ઊડી જાય, તેમ હું તેમના શત્રુઓ આગળ તેમને વેરવિખેર કરી નાખીશ. તેમના પર આફત આવી પડશે ત્યારે હું તેમના તરફ મારું મુખ નહિ, પણ મારી પીઠ ફેરવીશ.” પછી લોકોએ કહ્યું, “ચાલો, યર્મિયા વિરુદ્ધ ઘાટ ઘડીએ કેમ કે યજ્ઞકાર પાસેથી શિક્ષણ, જ્ઞાનીઓ પાસેથી સલાહ અને સંદેશવાહકો પાસેથી પ્રભુનો સંદેશ ખૂટવાંનાં નથી. ચાલો, તેના પર આરોપ મૂકીએ, અને તેના બોલવા પ્રત્યે કંઈ ધ્યાન ન આપીએ.” તેથી મેં પ્રાર્થના કરી “હે પ્રભુ, મારો પોકાર સાંભળો, અને મારા પર આરોપ મૂકનારની વાણી પણ સાંભળો. શું ભલાનો બદલો ભૂંડાઈથી અપાય તે વાજબી છે? છતાં તેમણે મારો જીવ લેવા ખાડો ખોદ્ધો છે! તમારી સમક્ષ ઊભા રહીને તમે તેમના પર તમારો રોષ ન ઠાલવો, પણ તેમનું ભલું કરો એવી પ્રાર્થના મેં તેમના હક્કમાં કરી હતી, તે સંભારો. તેથી હવે તેમના પુત્રોને ભૂખમરાથી મરવા દો, તેમને તલવારથી ક્તલ થવા ફંગોળી દો, તેમની પત્ની સંતાનહીન અને વિધવા બનવા દો, તેમના પુરુષોને રોગચાળાનો ભોગ થવા દો, અને તેમના યુવાનોને યુદ્ધમાં તલવારથી માર્યા જવા દો. તમે મોકલેલા લૂંટારાઓ તેમના પર અચાનક ત્રાટકે, ત્યારે તેમના ઘરોમાંથી ભયાનક ચીસોના અવાજ ગાજી ઊઠો; કારણ, મને સપડાવવા માટે તેમણે ખાડો ખોદ્યો છે, અને મને ફસાવવા માટે જાળ બિછાવી છે. પણ હે પ્રભુ, મને મારી નાખવાનું તેમનું કાવતરું તમે બરાબર જાણો છો; માટે તેમના અપરાધોની ક્ષમા કરશો નહિ, અથવા તમારી નજર આગળથી તેમનાં પાપ ભૂંસી નાખશો નહિ. તમારી સમક્ષ તેમને ઊંધા પછાડો, અને તમે ક્રોધમાં હો ત્યારે જ તેમને સજા કરો!” પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, “જા, અને કુંભાર પાસેથી એક કૂજો ખરીદ કર અને પછી લોકોના કેટલાક આગેવાનો અને કેટલાક પીઢ યજ્ઞકારોને સાથે લઈને ઠીકરાંના દરવાજે થઈને હિન્‍નોમની ખીણે જા, અને હું તને જે સંદેશ આપું તે ત્યાં પ્રગટ કરજે. તું કહેજે, હે યહૂદિયાના રાજાઓ અને યરુશાલેમ- વાસીઓ, પ્રભુનો સંદેશ સાંભળો! ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું આ સ્થળ પર એવી વિપત્તિ લાવીશ કે જે કોઈ તે વિષે સાંભળશે તેના કાન ઝણઝણશે. કારણ, એ લોકોએ મારો ત્યાગ કર્યો છે અને તેઓ તથા તેમના પૂર્વજો તથા યહૂદિયાના રાજાઓ જાણતા નહોતા એવા અન્ય દેવોને ધૂપ ચડાવીને આ સ્થાનને ભ્રષ્ટ કર્યું છે. તેમણે આ સ્થળને નિર્દોષ લોકોના રક્તથી ભરી દીધું છે. કારણ, તેમણે ત્યાં બઆલદેવની પૂજાને માટે ઉચ્ચસ્થાન બાંધ્યું છે અને તેમના પર પોતાના પુત્રોનું બઆલદેવને અગ્નિમાં બલિદાન ચઢાવ્યું છે. જો કે આ પ્રમાણે કરવાની મેં તેમને આજ્ઞા આપી નથી કે કદી એવો વિચાર સરખો મારા મનમાં આવ્યો નથી. તેથી હું પ્રભુ કહું છું કે એવો સમય આવશે. જ્યારે આ સ્થળ ‘તોફેથ’ કે ‘હિન્‍નોમની ખીણ’ નહિ, પણ ‘ક્તલની ખીણ’ કહેવાશે. આ સ્થળે યહૂદિયા અને યરુશાલેમના લોકોની યોજનાઓને હું ભાંગીને ભૂક્કો બનાવી દઈશ. હું તેમનો તેમના શત્રુઓની તલવારથી સંહાર થવા દઈશ અને તેમનો જીવ શોધનારાઓને હાથે તેમને ખતમ કરીશ. હું તેમનાં શબ ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ થવા આપીશ. અને હું આ નગરનો એવો કરુણ અંજામ લાવીશ કે તેની પાસેથી પસાર થનાર લોકો તેની દશા જોઈને આઘાત પામશે અને હાહાકાર કરશે; એમનો જીવ લેવા માટે શત્રુઓ તેમના નગરની આસપાસ ઘેરો ઘાલીને તેમને એવી ભીંસમાં લાવશે કે અંદરના ઘેરાઈ ગયેલા લોકો એક બીજાનો અરે, પોતાનાં પુત્રો અને પુત્રીઓનો પણ ભક્ષ કરશે.” પછી પ્રભુએ મને મારી સાથે આવેલા માણસોના દેખતાં તે કૂજો ફોડી નાખવા, અને તેમને આ સંદેશ આપવા કહ્યું. સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “કુંભારનો કૂજો ભાંગી નાખ્યા પછી સાંધી શક્તો નથી: એ જ પ્રમાણે હું આ નગરને તથા આ લોકોને તોડી નાખીશ, અને જરા પણ જગા ખાલી ન રહે ત્યાં સુધી તેઓ તોફેથમાં શબો દફનાવશે. *** વળી, હું પ્રભુ કહું છું કે, આ નગર અને તેના વતનીઓની દશા હું તોફેથ જેવી કરીશ. યરુશાલેમના નિવાસો અને યહૂદિયાના રાજાઓના મહેલો તથા જે ઘરોનાં ધાબાઓ પર આકાશનાં નક્ષત્રોને ધૂપ બાળ્યો છે તથા અન્ય દેવોને દ્રાક્ષાસવના પેયાર્પણ રેડયાં છે તે બધાં તોફેથના કબ્રસ્તાન જેવા થઈ જશે.” પછી પ્રભુએ યર્મિયાને તોફેથમાં જ્યાં સંદેશ પ્રગટ કરવા મોકલ્યો હતો ત્યાંથી તે પાછો આવ્યો; અને તેણે પ્રભુના મંદિરમાં ઊભા રહીને બધા લોકોને જણાવ્યું. ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “આ નગર અને તેની આસપાસનાં સર્વ નગરો પર હું મારા કહ્યા પ્રમાણે નાશ લાવીશ. કારણ, તેમણે જક્કી બનીને મારો સંદેશ સાંભળ્યો નથી.” ઈમ્મેરનો પુત્ર યજ્ઞકાર પાશહૂર પ્રભુના મંદિરમાં મુખ્ય અધિકારી હતો. તેણે યર્મિયાને એ સંદેશ કહેતાં સાંભળ્યો. તેથી તેણે યર્મિયાને ફટકા મરાવીને મંદિરના ઉપલા બિન્યામીન દરવાજાએ તેના પગ લાકડાની હેડમાં પૂર્યા. પણ બીજે દિવસે સવારે પાશહૂરે યર્મિયાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “પ્રભુએ તારું નામ પાશહૂર નહિ, પણ ‘માગોર-મિસ્સાબીબ’ (ચોમેર આતંક) પાડયું છે. પ્રભુ તને આ પ્રમાણે કહે છે: હું તને તથા તારા મિત્રોને ભયગ્રસ્ત કરીશ. તેઓ તારી નજર સામે જ શત્રુઓની તલવારથી માર્યા જશે અને આખા યહૂદિયાને હું બેબિલોનના રાજાના કબજામાં સોંપી દઈશ. તે કેટલાકને કેદ કરીને બેબિલોન લઈ જશે, જ્યારે બીજાઓને મારી નાખશે. આ નગરની બધી સંપત્તિ, તેનો બધો માલસામાન, કીમતી વસ્તુઓ, યહૂદિયાના રાજાઓના ખજાના સહિત હું તેમના શત્રુઓને સોંપી દઈશ. તેઓ એ બધું લૂંટીને બેબિલોન લઈ જશે. અને હે પાશહૂર, તું તથા તારું આખું કુટુંબ કેદી તરીકે બેબિલોન લlઈ જવાશો. તું તથા તારા બધા મિત્રો જેમને તેં ખોટો સંદેશ પ્રગટ કર્યો તે બધા ત્યાં મરશો અને દટાશો.” હે પ્રભુ, તમે મને લલચાવ્યો અને હું લલચાઈ ગયો, તમે મને ભીંસમાં લઈને વશ કરી દીધો. આખો દિવસ હું મજાકનું પાત્ર lબન્યો છું, અને બધા લોકો મારી મશ્કરી ઉડાવે છે. હું જ્યારે જ્યારે બોલું છું ત્યારે ત્યારે બૂમો પાડું છું; હું આવી બૂમો પાડું છું: ‘હિંસા! લૂંટ!!’ પણ પ્રભુનો સંદેશ પ્રગટ કરવાને લીધે મારે સતત નિંદા અને નાલેશી વહોરવી પડે છે. પણ જો હું એમ વિચારું કે હું પ્રભુનો ઉલ્લેખ કરીશ નહિ અને તેમને નામે હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, તો મારા હાડકામાં જાણે ભારેલો અગ્નિ હોય તેમ મારા હૃદયમાં એ સંદેશ ભભૂકીને મને વ્યગ્ર કરે છે. હું તેને કાબૂમાં રાખવા મથું છું, પણ મારાથી બોલ્યા વિના રહેવાતું નથી. હું મારા વિષે ટોળામાં થતી આવી ગુસપુસ સાંભળું છું: ‘પેલો માગોર-મિસ્સાબીબ (ચોમેર આતંક)! ચાલો, તેના પર આરોપો મૂકી, તેને વિષે ફરિયાદ કરીએ.’ અરે, મારા નિકટના મિત્રો પણ મારું પતન ઇચ્છે છે, અને કહે છે, ‘કદાચ તે ફસાઈ જશે; પછી આપણે તેને પકડી લઈને તેના પર વેર વાળીશું!’ પરંતુ હે પ્રભુ, એક શૂરવીર સૈનિકની જેમ તમે મારી સાથે છો; તેથી જેઓ મારો પીછો કરે છે તેઓ ઠોકર ખાઈને પટકાશે, તેઓ નિષ્ફળ જશે અને લજ્જિત થશે. તેમની નામોશી કાયમ રહેશે અને કદી ભૂલાશે નહિ. હે સેનાધિપતિ પ્રભુ, તમે પારખ કરો છો, અને માણસોનાં અંત:કરણના છુપા ઈરાદાઓ અને દયના વિચારો જાણો છો, તેથી મેં તમને મારો દાવો સોંપ્યો છે. તમે તેમના પર જે બદલો લો તે મને જોવા દો. પ્રભુનું સ્તવન ગાઓ અને પ્રભુની સ્તુતિ કરો. કારણ, દુષ્ટોના સકંજામાંથી તેમણે જુલમપીડિતોનો પ્રાણ ઉગાર્યો છે. મારો જન્મદિન શાપિત થાઓ! મારી માતાએ મને જન્મ આપ્યો તે દિવસ ભૂલાઈ જાઓ! “તારે ત્યાં પુત્ર જન્મ્યો છે” એવા સમાચાર લાવી મારા પિતાને આનંદિત કરનાર માણસ પણ શાપિત હો! પ્રભુએ સહેજ પણ દયા દાખવ્યા વિના જેમનો નાશ કર્યો, એવા નગરની જેમ એ માણસ નષ્ટ થાઓ! તે માણસ સવારે વિલાપ અને બપોરે યુદ્ધનાદ સાંભળો! કારણ, તેણે મને જનમતાં પહેલાં જ મારી નાખ્યો નહિ; ત્યારે તો મારી જનેતાનું ઉદર મારી કબર થાત, અને તેનું ગર્ભસ્થાન હમેશાં ગર્ભવંત રહ્યું હોત. માત્ર કષ્ટ અને વેદના ભોગવવા તથા લજ્જિત થઈને મારા દિવસો પસાર કરવા માટે જ હું ગર્ભસ્થાનમાંથી બહાર કેમ આવ્યો? યહૂદિયાના રાજા સિદકિયાએ માલ્કિયાના પુત્ર પાશહૂર અને માસૈયાના પુત્ર યજ્ઞકાર સફાન્યાને યર્મિયા પાસે આવી વિનંતી કરવા મોકલ્યા: “તમે અમારે માટે પ્રભુને પૂછી જુઓ; કારણ, બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારે અમારા પર આક્રમણ કર્યું છે. કદાચ પ્રભુ અમારે માટે કોઈ અજાયબ કાર્ય કરે કે જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે” એ પ્રસંગે પ્રભુ તરફથી યર્મિયાને સંદેશો મળ્યો. તેથી યર્મિયાએ તેમને કહ્યું, “તમે સિદકિયાને આ પ્રમાણે જણાવજો, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘હે રાજા, કોટ બહાર નગરને ઘેરો ઘાલીને પડેલા બેબિલોનના રાજા અને તેના ખાલદી સૈનિકોની સામે તમે જે શસ્ત્રોથી લડો છો, તેમને હું પાછા પાડીશ, અને હું એ લોકોને નગરની મધ્યે લઈ આવીશ. હું જાતે જ તારી વિરુદ્ધ મારા પૂરા બાહુબળથી, ક્રોધથી, ભારે કોપથી અને રોષથી લડીશ. આ નગરમાં વસનારા લોકો અને પ્રાણીઓનો હું સંહાર કરીશ; તેઓ મોટા રોગચાળાથી મરશે. વળી, હું પ્રભુ જ આ કહું છું કે તે પછી હું તને સિદકિયાને, અધિકારીઓને તથા રોગ, યુદ્ધ કે દુકાળમાંથી બચી ગયેલા બાકીના લોકોને નબૂખાદનેસ્સાર રાજાના હવાલામાં સોંપી દઈશ અને તમને મારી નાખવાનો લાગ શોધનારા તમારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. તે કોઈપણ જાતની દયા, દરગુજર કે કરુણા રાખ્યા વગર બધાનો સંહાર કરશે.” પછી પ્રભુએ લોકોને આ પ્રમાણે જણાવવા કહ્યું કે, “પ્રભુ આ પ્રમાણે કહે છે: સાંભળો, હું તમને જીવનદાયક માર્ગ અને મરણસાધક માર્ગ વચ્ચે પસંદગી કરવાની તક આપું છું. આ નગરમાં રહેનારા યુદ્ધ, દુકાળ કે રોગચાળાથી માર્યા જશે; પરંતુ આ નગરને ઘેરો ઘાલી રહેલા બેબિલોનના લશ્કરને શરણે જનાર જાણે લૂંટ મળી હોય તેમ પોતાનો જીવ બચાવશે. કારણ, મેં આ નગરને બચાવવાનું નહિ, પણ તેનો નાશ કરવાનું નક્કી કર્યું છે. તેને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે અને તે તેને બાળીને ખાક કરી દેશે. હું પ્રભુ આ બોલું છું.” પ્રભુએ મને દાવિદના રાજવંશ એટલે યહૂદિયાના રાજ્યર્ક્તાઓ માટે આ સંદેશ પ્રગટ કરવાનું કહ્યું: “પ્રભુ આ પ્રમાણે કહે છે: રોજબરોજ નેકીથી ન્યાય તોળો, અને જે લૂંટાયો છે તેને જુલમગારના સકંજામાંથી છોડાવો, નહિ તો તમારાં દુષ્ટ કાર્યોને લીધે મારો કોપ અગ્નિની જેમ ભડકી ઊઠીને સતત સળગશે અને કોઈથી હોલવાશે નહિ. હે યરુશાલેમ, તું તારી આસપાસની ખીણોની વચ્ચે વસેલું છે, અને ઊંચા સમતલ ખડક પર સ્થપાયેલું છે. તું ગર્વ કરતાં કહે છે, ‘મારા પર કોણ આક્રમણ કરવાનું છે? અથવા મારા નિવાસસ્થાનમાં કોણ પ્રવેશી શકવાનું છે?’ પણ હું તારી વિરુદ્ધ યુદ્ધ કરીશ. તારાં કાર્યોને લીધે હું તને સજા કરીશ. હું તારી મહેલમહેલાતોને આગ લગાડીશ અને તેની આસપાસનું બધું જ સળગી જશે. હું પ્રભુ આ બોલું છું.” પ્રભુએ મને દાવિદના વંશજ યહૂદિયાના રાજાના મહેલે જઈને આ સંદેશ પ્રગટ કરવાનું કહ્યું: “હે દાવિદના રાજ્યાસન પર બિરાજનાર યહૂદિયાના રાજા, તમે તથા તમારા અધિકારીઓ અને આ દરવાજાઓમાંથી આવજા કરનાર પ્રજાજનો, તમે સૌ પ્રભુનો સંદેશ સાંભળો. *** પ્રભુ આ પ્રમાણે કહે છે: પ્રામાણિક્તાથી અને નેકીથી વર્તો. જુલમપીડિતોને જુલમગારોના સકંજામાંથી છોડાવો. પરદેશી, અનાથ અને વિધવાના હક્ક છીનવી ન લો અને તેમના પર જુલમ ન કરો અને આ સ્થળે નિર્દોષજનોનું રક્ત વહેવડાવશો નહિ. જો તમે સાચે જ એ પ્રમાણે વર્તશો તો દાવિદના વંશના રાજાઓની રાજસત્તા જારી રહેશે. તેઓ રથો અને ઘોડાઓ પર સવાર થઈને તેમના અધિકારીઓ અને લોકો સહિત આ દરવાજાઓથી આવજા કરશે. પણ જો તમે મારી આજ્ઞા નહિ પાળો તો હું પ્રભુ સોગંદપૂર્વક કહું છું કે આ મહેલ ખંડેર બની જશે.” યહૂદિયાના રાજાના મહેલ વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે: “આ મહેલ મારે માટે ગિલ્યાદના વનપ્રદેશ જેવો અને લબાનોન પર્વતના શિખર જેવો ચડિયાતો છે. પણ હું શપથપૂર્વક કહું છું કે હું તેને વેરાન કરી દઈશ અને કોઈ તેમાં વસશે નહિ. તેનો વિનાશ કરવા હું શસ્ત્રસજ્જ માણસોને મોકલીશ. તેઓ તેના ગંધતરુના સ્તંભોને કાપીને અગ્નિમાં નાખીને સળગાવી દેશે. પછી ઘણા પરદેશી લોકો આ નગર પાસેથી પસાર થતાં એકબીજાને પૂછશે, ‘શા માટે પ્રભુએ આ મહાન નગરની આવી દશા કરી?’ અને તેઓ જ ઉત્તર આપશે કે, “એ લોકોએ પોતાના પ્રભુ સાથેનો કરાર તજી દઈને અન્ય દેવોની સેવાપૂજા કરી તેને લીધે એવું થયું છે.” હે યહૂદિયાના લોકો, યોશિયાના મૃત્યુ માટે વિલાપ કરશો નહિ, અને તેને માટે શોક કરશો નહિ; પણ બંદી તરીકે જનાર રાજા માટે હૈયાફાટ રુદન કરશે, કારણ, તે કદી પાછો આવવાનો નથી અને ફરી વતન જોવા પામશે નહિ. કારણ, પોતાના પિતા યોશિયા પછી રાજા બનનાર યહૂદિયાના રાજા શાલ્લૂમ વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે. “તે અહીંથી સદાને માટે ગયો છે અને ત્યાંથી કદી પાછો આવશે નહિ. તેને જે દેશમાં દેશનિકાલ કરવામાં આવ્યો છે ત્યાં જ તે મૃત્યુ પામશે અને તે ફરી આ દેશ જોવા પામશે નહિ.” અન્યાયથી પોતાનું ઘર બાંધનાર, અને અપ્રામાણિક્તાથી મેળવેલા નાણાં વડે તેના પર માળ પર માળ લેનાર, તથા પોતાના જાતભાઈ પાસે મજૂરી કરાવી, તેને વેતન ન આપનારની કેવી દુર્દશા થશે! તે કહે છે, ‘હું મારે માટે ભવ્ય મહેલ બાંધીશ. તેમાં ઉપલે માળે ઉજાસવાળા મોટા મોટા ઓરડા હશે.’ તેથી તે મોટી મોટી બારીઓ મૂકાવે છે, અને તેની છત પર ગંધતરુના ક્ષ્ટનાં પાટિયાં જડે છે અને તેને સિંદુરના ચળક્તા લાલ રંગથી રંગાવે છે. બીજાઓ કરતાં મહેલ બાંધવામાં વધુ ગંધતરુનાં લાકડાં વાપરવાથી જ શું તું રાજા બની ગયો ગણાય? તારો પિતા ખાધેપીધે સુખી હતો, પણ તેણે નેકી અને પ્રામાણિક્તાથી રાજ કર્યું અને તેથી જ તે આબાદ અને સુખી થયો. તે ગરીબ અને જુલમપીડિતોનો પક્ષ લેતો હતો. મારી સાથે આત્મીયતા હોવાનો અર્થ એ જ છે. હું પ્રભુ આ કહું છું. પણ તારી આંખો તો પોતાનો જ સ્વાર્થ જુએ છે, અને તારું હૃદય એના જ વિચાર કરે છે. તું નિર્દોષજનોની હત્યા કરે છે, જુલમ ગુજારે છે તથા બળજબરીથી લૂંટે છે. તેથી યોશિયાના પુત્ર યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે પ્રભુ કહે છે કે એ માણસની કેવી દુર્દશા થશે! કોઈ તેના મૃત્યુ માટે શોક કરશે નહિ. જેમ સ્નેહીજનો માટે ‘ઓ મારા ભાઈ’ ‘ઓ મારી બહેન’ એમ કહીને વિલાપ કરે છે તેમ તેને માટે કોઈ ‘ઓ મારા સ્વામી’, ‘ઓ મારા રાજા’ એવું કહી રડશે નહિ. ગધેડાને છાજે એવી તેની અંતિમવિધિ થશે, એટલે કે, તેને ઘસડીને યરુશાલેમના દરવાજાની બહાર ફેંકી દેવામાં આવશે. હે યરુશાલેમના લોકો, લબાનોનના પર્વત પર જઈને પોકાર પાડો અને બાશાનના પ્રદેશમાં જઈને ઘાંટા પાડો. મોઆબના અબારીમ પર્વત પરથી હાંક મારો, કારણ, તમારા બધા મિત્રદેશો પરાજિત થયા છે. તમારી આબાદીના સમયે હું તમને સંબોધતો, પણ તમે કહ્યું, “અમે સાંભળવાના નથી!” આખી જિંદગીપર્યંત તમે એમ જ વર્ત્યા છો, અને મારી વાણી પ્રત્યે ધ્યાન આપ્યું નથી. અને તમારાં દુષ્ટ કાર્યોને લીધે પવન તમારા આગેવાનોનો આગેવાન બની તમને દૂર ઘસડી જશે અને તમારા મિત્રદેશોના લોકો પણ દેશનિકાલ થશે; તમારું નગર લજ્જિત અને અપમાનિત થશે. લબાનોનના વનનાં ગંધતરુક્ષ્ટના તમારા નિવાસોમાં તમે વસો છો, પણ જ્યારે તમારા પર વિપત્તિ આવી પડે ત્યારે તમારી દશા કેવી દયામણી થશે? તમે પ્રસૂતાના જેવી વેદનાથી કષ્ટાશો. યહોયાકીમના પુત્ર યહૂદિયાના રાજા કોન્યાને પ્રભુએ પોતાના જીવના સમ ખાઈને કહ્યું કે, “તું મારા જમણા હાથ પરની મુદ્રિકા હોય, તો પણ હું તને ખેંચી કાઢીશ. અને તને જેમની બીક લાગે છે અને જેઓ તને મારી નાખવા માંગે છે તેમના હાથમાં એટલે કે, બેબિલોન તથા ખાલદીઓના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દઈશ. હું તને અને તને જન્મ આપનાર તારી માતાને બીજા દેશમાં દેશનિકાલ કરીશ. તમે બન્‍ને તે દેશમાં જન્મ્યા તો નહોતા પણ તમે ત્યાં જ મરશો. તમે આ દેશમાં પાછા આવવા તડપશો પણ તમે કદી પાછા આવશો નહિ.” મેં કહ્યું, “આ માણસ કોન્યા, માટીનું નકામું અને ભાંગેલું પાત્ર છે! તે અણગમતા પાત્ર જેવો છે! તો પછી તેને ફંગોળીને અજાણ્યા દેશમાં કેમ ફેંકી દેવામાં આવે છે? હે ભૂમિ, હે ભૂમિ, હે ભૂમિ! તું પ્રભુનો સંદેશ સાંભળ. “આ માણસ જાણે કે વાંઝિયો હોય તેમ નોંધી લો. તે તેના આખા જીવનમાં ક્યારેય સુખી થશે નહિ. દાવિદના વંશમાં યહૂદિયાના રાજ્યાસન પર રાજા તરીકે બિરાજવા કે રાજ કરવા તેનો કોઈ વંશજ સફળ થશે નહિ.” પ્રભુ આ પ્રમાણે કહે છે. પ્રભુ કહે છે, “ચારાનાં ઘેટાં સમા મારા લોકને આડે માર્ગે ચડાવી દઈ તેમને વેરવિખેર કરનાર તેમના ઘેટાંપાળક સમા શાસકોની કેવી દુર્દશા થશે! તેથી મારા લોકોનું પાલન કરનાર શાસકોને હું પ્રભુ, ઇઝરાયલનો ઈશ્વર, આ પ્રમાણે કહું છું: તમે મારા લોકોની સંભાળ રાખી નથી. તમે તેમને હાંકી કાઢયા છે અને તેમને વેરવિખેર કરી નાખ્યા છે. તેથી તમારાં દુષ્કૃત્યોને લીધે હું પ્રભુ તમને સજા કરીશ. જે દેશોમાં મેં મારા લોકને હાંકી કાઢયા હતા ત્યાંથી બાકી રહેલાઓને હું વતનમાં પાછા લાવીશ; અને ત્યાં તેઓ સફળ થશે અને વૃદ્ધિ પામશે. અને હું તેમના પર બીજા પાલકો નીમીશ. તેઓ તેમનું યોગ્ય પાલન કરશે. પછી મારા લોક ફરીથી ડરશે નહિ, કે ગભરાશે નહિ અને તેમનામાંથી કોઈ ખોવાશે નહિ. હું પ્રભુ આ બોલું છું.” પ્રભુ કહે છે, “એવો સમય આવશે કે જ્યારે હું દાવિદના વંશમાં અંકુર ની જેમ ફૂટી નીકળેલ સાચા વંશજને રાજા તરીકે પસંદ કરીશ; તે ડહાપણપૂર્વક રાજ કરશે. તે સમગ્ર દેશમાં ન્યાય અને નેકી પ્રવર્તાવશે. તેના રાજમાં યહૂદિયાનો ઉદ્ધાર થશે અને ઇઝરાયલના લોકો સલામતી ભોગવશે. તે રાજા ‘યાહવે-સિદકેનું’ (‘પ્રભુ આપણા ઉદ્ધારક’) એ નામથી ઓળખાશે.” પ્રભુ કહે છે, “એવો પણ સમય આવશે જ્યારે લોકો શપથ લેતાં ‘ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર જીવતા પ્રભુના સમ’ એમ નહિ કહે, પણ તેને બદલે ‘ઇઝરાયલીઓને ઉત્તરના દેશમાંથી અને જ્યાં જ્યાં પ્રભુએ તેમને વેરવિખેર કરી નાખ્યા હતા તે બધા દેશોમાંથી તેમને પોતાના વતનમાં વસવા માટે પાછા લાવનાર જીવતા પ્રભુના સમ’ એમ કહેશે. સંદેશવાહકો વિષે સંદેશ: મારું હૃદય તદ્દન ભાંગી પડયું છે, અને મારા બધાં હાડકાં ધ્રૂજી ઊઠયાં છે. પ્રભુ અને તેમના પવિત્ર સંદેશ પ્રત્યેની નિષ્ઠાને લીધે હું નશામાં ચકચૂર થયેલા માણસના જેવો અને પુષ્કળ દ્રાક્ષાસવ પીધેલા માણસની જેમ વિવશ થઇ ગયો છું. કારણ, દેશ વ્યભિચારીઓથી ભરપૂર છે. તેઓ દુષ્ટ કાર્યો આચરે છે, અને પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે. તેથી શાપને લીધે ભૂમિ શોક કરે છે, અને ઘાસચારાનાં મેદાનો સુકાઈ ગયાં છે. પ્રભુ કહે છે, “અરે, સંદેશવાહકો અને યજ્ઞકારો પણ ભ્રષ્ટ બન્યા છે; અરે, મારા પોતાના મંદિરમાં જ મેં તેમને દુષ્ટતા આચરતા પકડયા છે. તેથી તેમનો માર્ગ તેમને અંધકારમય લપસણાં સ્થાનો તરફ લઈ જશે. તેમને ત્યાં હડસેલી દેવામાં આવશે અને તેમનું પતન થશે. કારણ, હું તેમના પર વિપત્તિ લાવીશ, અને તેમની સજાનો સમય આવી પહોંચ્યો છે. હું પ્રભુ આ બોલું છું. સમરૂનના સંદેશવાહકોમાં મેં એક દિલ દુભાવનારી બાબત જોઈ છે. તેઓ બઆલદેવને નામે સંદેશ પ્રગટ કરીને મારા ઇઝરાયલી લોકને ગેરમાર્ગે દોરે છે. પરંતુ યરુશાલેમના સંદેશવાહકોમાં તો મેં એથી વિશેષ આઘાતજનક બાબત જોઈ છે: તેઓ પોતે વ્યભિચાર કરે છે અને જૂઠ પ્રવર્તાવે છે. તેઓ દુષ્ટોને એવો સાથ આપે છે કે કોઈ પોતાની દુષ્ટતામાંથી પાછું વળતું નથી! મારી દષ્ટિમાં એ લોકો સદોમ અને ગમોરાના રહેવાસીઓ જેવા અધમ થઈ ગયા છે. તેથી હું સેનાધિપતિ પ્રભુ તે સંદેશવાહકો વિષે આ પ્રમાણે કહું છું: હું તેમને કીરમાણીના કડવા છોડ ખવડાવીશ અને તેમને ઝેર પીવડાવીશ. કારણ, યરુશાલેમના સંદેશવાહકો દ્વારા જ આખા દેશમાં ભ્રષ્ટાચાર ફેલાયો છે.” સેનાધિપતિ પ્રભુ યરુશાલેમના લોકોને આ પ્રમાણે કહે છે: “આ સંદેશવાહકો જે સંદેશ પ્રગટ કરે તે સાંભળશો નહિ. તેઓ તમને વ્યર્થ વાતો કહી ભરમાવે છે. તેઓ મેં મારા મુખે જણાવેલ સંદેશો નહિ પણ પોતાના મનમાં કલ્પેલું સંદર્શન જ પ્રગટ કરે છે. મારી અવગણના કરનારાઓને તેઓ કહે છે, ‘પ્રભુ કહે છે કે તમે સુખશાંતિમાં રહેશો’ અને પોતાના કઠણ દયના દુરાગ્રહને અનુસરનારને તેઓ કહે છે, ‘તમારા પર કોઈ આફત આવવાની નથી.’ તેમનામાંથી કોણ પ્રભુના રાજદરબારમાં ઉપસ્થિત હતો? કોણે પ્રભુનો સંદેશ સાંભળ્યો છે અને તે સમજ્યો છે? કોણે તે સંદેશ પર કાન દઈને ધ્યાન આપ્યું છે? પ્રભુનો કોપ વંટોળિયાની માફક વછૂટશે અને વાવાઝોડાની માફક દુષ્ટોના શિરે ત્રાટકશે. પ્રભુના મનસૂબા પાર ન પડે ત્યાં સુધી પ્રભુનો કોપ શાંત પડશે નહિ. આવનાર દિવસોમાં તમને આ વાત બરાબર સમજાશે: ‘મેં આ સંદેશવાહકોને મોકલ્યા નથી, છતાં તેઓ દોડયા છે. મેં તેમને કોઈ સંદેશ આપ્યો નથી, છતાં તેઓ મારે નામે ઉપદેશ કરે છે.’ પણ જો તેઓ મારા રાજદરબારમાં ઉપસ્થિત હોત તો તેમણે મારા લોકને મારો સંદેશ પ્રગટ કર્યો હોત અને લોકોને તેમનાં દુષ્ટ આચરણથી અને દુષ્ટ કાર્યોથી પાછા વાળ્યા હોત.” પ્રભુ કહે છે, “હું માત્ર એક જ સ્થાનમાં સીમિત એવો ઈશ્વર નથી; હું તો સર્વવ્યાપી ઈશ્વર છું. કોઈ પોતાને ગુપ્ત સ્થાનમાં એવી રીતે સંતાડી શકે નહિ કે હું તેને જોઈ ન શકું. કારણ, હું પ્રભુ તો આકાશમાં અને પૃથ્વીમાં સર્વવ્યાપી છું. ‘મને સ્વપ્ન આવ્યું છે,’ ‘મને સ્વપ્ન આવ્યું છે,’ એમ કહીને મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરનાર સંદેશવાહકોને મેં સાંભળ્યા છે.* આ સંદેશવાહકો ક્યાં સુધી પોતાના મનમાં કલ્પી કાઢેલો જૂઠો સંદેશ પ્રગટ કર્યા કરશે? જેમ તેમના પૂર્વજો બઆલદેવને લીધે મારું નામ ભૂલી ગયા તેમ તેઓ એકબીજાને પોતાનાં સ્વપ્નો કહીને મારું નામ ભૂલાવી દેવાને ધારે છે. જે સંદેશવાહકને સ્વપ્ન આવ્યું હોય તે માત્ર પોતાનું સ્વપ્ન કહી સંભળાવે, પણ જે સંદેશવાહકને મારો સંદેશ મળ્યો હોય તે નિષ્ઠાપૂર્વક મારો સંદેશ પ્રગટ કરે. ઘઉંની આગળ ભૂંસાની શી વિસાત? મારો સંદેશ તો અગ્નિ સમાન અને ખડકનો ભૂક્કો કરનાર હથોડા સમાન છે. હું પ્રભુ આ કહું છું. હું પ્રભુ કહું છું કે એકબીજાની પાસેથી મારા સંદેશા ચોરી લેનાર સંદેશવાહકોની હું વિરુદ્ધ છું પ્રભુએ પોતે આ સંદેશ કહ્યો છે, એવા દાવા સાથે પોતાનો સંદેશો પ્રગટ કરનાર સંદેશવાહકોની વિરુદ્ધ પણ હું છું. પોતાનાં ખોટાં સ્વપ્નો પ્રગટ કરનાર તથા જૂઠાણાં અને બડાઇ હાંકી મારા લોકને ગેરમાર્ગે દોરનાર સંદેશવાહકોની વિરુદ્ધ પણ હું છું. મેં તેમને કદીયે મોકલ્યા નથી કે તેમને નીમ્યા નથી. તેઓ આ લોકોને કોઈ રીતે લાભદાયી નથી. હું પ્રભુ પોતે આ કહું છું.” પ્રભુએ મને કહ્યું, “યર્મિયા, જ્યારે મારા લોક, સંદેશવાહકો કે યજ્ઞકારોમાંથી તને કોઈ મારા સંદેશાના સંદર્ભમાં આવું પૂછે કે, ‘પ્રભુનો બોજ શો છે?’ ત્યારે તું તેમને જવાબ આપજે. ‘તમે જ પ્રભુનો બોજ છો!’ અને પ્રભુ કહે છે કે હું એ બોજને એટલે તમને ફેંકી દઈશ. સંદેશવાહક, યજ્ઞકાર કે લોકમાંથી કોઈ ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ વાપરશે તો હું તેને અને તેના કુટુંબને પણ સજા કરીશ. એને બદલે, ‘પ્રભુએ શો ઉત્તર આપ્યો?’ અથવા ‘પ્રભુએ શું કહ્યું?’ એ પ્રમાણે એકબીજાને, મિત્રોને તથા સ્નેહીજનોને પૂછવું. પરંતુ ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ કદી વાપરવો નહિ. કારણ, જો કોઈ તે પ્રમાણે કરશે તો તેનો એ બોલ તેને માટે બોજરૂપ થઈ પડશે. કારણ, લોકોએ સેનાધિપતિ પ્રભુ, એટલે તેમના જીવંત ઈશ્વરના સંદેશનો અર્થ મરડી કાઢયો છે. તમારે કોઈપણ સંદેશવાહકને ‘પ્રભુએ શો ઉત્તર આપ્યો?’ અથવા ‘પ્રભુએ શું કહ્યું?’ એ પ્રમાણે પૂછવું. પરંતુ જો તેઓ ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ વાપરે તો તેમને કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: “મેં તમને ‘પ્રભુનો બોજ’ એ શબ્દ પ્રયોગ વાપરવાની મના કરી હતી છતાં તમે ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ કર્યો છે. તેથી હું તમને ઊંચકીને મારી હાજરીથી દૂર ફેંકી દઈશ. તમને તથા તમારા પૂર્વજોને આપેલા નગરને પણ હું ફેંકી દઈશ. અને તમારા પર કાયમી કલંક અને નિરંતર અપમાન લાવીશ અને તે કદી ભૂલાશે નહિ.” પ્રભુએ મને મંદિરની સામે મુક્યેલી અંજીરની બે ટોપલીઓ બતાવી. બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર, યહોયાકીમના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાખીનને, તેના અધિકારીઓ, કારીગરો તથા લુહારો સહિત યરુશાલેમમાંથી કેદ કરીને બેબિલોન લઈ ગયો ત્યાર પછીની એ વાત છે. પહેલી ટોપલીમાં પહેલા ફાલનાં પાકેલાં સારાં અંજીર હતાં; પણ બીજી ટોપલીમાં અતિશય ખરાબ એટલે ખવાય પણ નહિ એવાં બગડી ગયેલાં અંજીર હતાં. તે પછી પ્રભુએ મને પૂછયું, “યર્મિયા, તેં શું જોયું?” મેં ઉત્તર આપ્યો, “હું અંજીર જોઉં છું. સારાં અંજીર ખૂબ સારાં છે અને ખરાબ અંજીર ખવાય પણ નહિ એટલાં બગડી ગયેલાં છે.” તેથી પ્રભુએ મને કહ્યું, “હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહું છું: યહૂદિયાના જે લોકોને મેં તેમના હિતને માટે બેબિલોન દેશમાં દેશનિકાલમાં મોકલ્યા છે તેમને હું સારાં અંજીર જેવા ગણું છું. *** હું તેમના પર મારી કૃપાદષ્ટિ રાખીશ અને આ દેશમાં તેમને પાછા લાવીશ. હું તેમને તોડી પાડીશ નહિ, પણ તેમને બાંધીશ; અને તેમને ઉખેડી નાખીશ નહિ, પણ તેમને રોપીશ. હું તેમને એવું મન આપીશ કે તેઓ મને તેમના પ્રભુ તરીકે કબૂલ કરશે, તેઓ ફરી મારા લોક બનશે અને હું તેમનો ઈશ્વર થઈશ. કારણ, તેઓ પૂરા દયથી મારી તરફ વળશે.” પરંતુ પ્રભુ કહે છે કે, “યહૂદિયાના રાજા સિદકિયા, તેના અધિકારીઓ અને યરુશાલેમના બાકી રહી ગયેલા લોકો જેઓ આ દેશમાં રહ્યા છે કે ઇજિપ્તમાં જઈને વસ્યા છે તે બધાને હું પેલા ખવાય પણ નહિ એવાં બગડી ગયેલાં ખરાબ અંજીરની જેમ તજી દઈશ. હું તેમના પર એવો ત્રાસ વર્તાવીશ કે તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે. હું જ્યાં જ્યાં તેમને હાંકી કાઢીશ ત્યાં ત્યાં લોકો તેમની નિંદા અને મશ્કરી કરશે; તેમને મહેણાં મારશે અને શાપ આપશે. હું તેમના પર યુદ્ધ, દુકાળ, અને રોગચાળો મોકલીશ. જેથી મેં તેમને તથા તેમના પૂર્વજોને જે દેશ આપ્યો છે તેમાંથી તેઓ નાબૂદ થઈ જશે.” યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળના ચોથા વર્ષમાં યહૂદિયાના સર્વ લોકો સંબંધી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો. બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારના રાજ્યકાળનું એ પ્રથમ વર્ષ હતું. યર્મિયા સંદેશવાહકે તે સંદેશ યહૂદિયાના બધા લોકો અને યરુશાલેમના રહેવાસીઓને કહી સંભળાવ્યો. તેણે કહ્યું, “પાછલાં ત્રેવીસ વર્ષથી એટલે આમોનના પુત્ર યહૂદિયાના રાજા યોશિયાના તેરમા વર્ષથી આજ સુધી પ્રભુનો સંદેશ મને મળ્યો છે અને મેં તમને એ સંદેશ વારંવાર આગ્રહથી કહી સંભળાવ્યો છે. પણ તમે મારું સાંભળ્યું નથી.” વળી, પ્રભુએ પોતાના સર્વ સંદેશવાહક સેવકોને તમારી પાસે વારંવાર આગ્રહથી મોકલ્યા. પણ તમે તેમનું સાંભળ્યું નહિ કે જરાપણ ધ્યાન આપ્યું નહિ.” તેમણે તો કહ્યું, “દરેક જણ પોતાનાં દુષ્ટ આચરણથી ફરો અને અધમ કાર્યો તજી દો અને મેં પ્રભુએ તમને તથા તમારા પૂર્વજોને પ્રાચીન સમયથી જે ભૂમિ વારસા તરીકે આપી છે તેમાં સર્વદા વાસ કરો. અન્ય દેવને અનુસરશો નહિ કે તેમની સેવાપૂજા કરશો નહિ. પણ તમે સાંભળ્યું જ નહિ; અને તમારા હાથે ઘડેલી મૂર્તિઓથી મને રોષ ચડાવીને તમે તમારું જ અહિત કર્યું છે. હું પ્રભુ આ બોલું છું.” આથી સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “મારા સંદેશ પર તમે ધ્યાન આપ્યું નથી. તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે. હું તેમની મધ્યેથી આનંદ અને હર્ષના પોકાર, વરકન્યાઓનો કિલ્લોલ, ધાન્ય દળવાની ઘંટીનો અવાજ તથા દીવાનો પ્રકાશ બંધ પાડીશ. આખો દેશ ઉજ્જડ અને વેરાન થઈ જશે અને આ લોકો સિત્તેર વર્ષ સુધી બેબિલોનના રાજાની ગુલામી કરશે. એ સિત્તેર વર્ષ પૂરાં થયાં પછી હું બેબિલોનના રાજાની અને તેની પ્રજાને તેમના ગુનાને માટે સજા કરીશ. હું એ ખાલદીઓના દેશને સદાને માટે વેરાન કરી નાખીશ. મેં બેબિલોન દેશ વિરુદ્ધ જે જે ધમકી ઉચ્ચારી છે અને યર્મિયા બધી પ્રજાઓ વિરુદ્ધ જે બોલ્યો છે અને આ પુસ્તકમાં નોંધાયેલું છે તે પ્રમાણે હું આફતો લાવીશ. સાચે જ ઘણી પ્રજાઓ અને મોટા રાજાઓ તેમને ગુલામ બનાવશે, કારણ, હું તેમનાં દુષ્ટ આચરણો માટે અને તેમનાં દુષ્કૃત્યો માટે તેમને સજા કરીશ. હું પ્રભુ આ બોલું છું.” ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, “મારા કોપરૂપી દ્રાક્ષાસવનો પ્યાલો મારા હાથમાંથી લે અને જે જે પ્રજાઓની પાસે હું તને મોકલું તેમને તે પીવડાવ. જ્યારે તેઓ તે પીશે ત્યારે ચકચૂર થઈને લથડિયાં ખાશે; કારણ, હું તેમના પર યુદ્ધ લાદવાનો છું.” તેથી મેં પ્રભુના હાથમાંથી તે પ્યાલો લીધો અને મને જે જે પ્રજાઓ પાસે મોકલ્યો તેમને તે પીવડાવ્યો. યરુશાલેમ અને યહૂદિયાનાં બધાં નગરો, તેમના રાજવીઓ અને અધિકારીઓને મેં તે પીવડાવ્યો જેથી તેઓ વેરાન થઈને લોકોની દષ્ટિમાં ભયાનક, આઘાતજનક અને શાપરૂપ બની જાય અને આજે પણ તેઓ એવા જ છે. બીજા બધાં જેમને મેં પ્યાલો પીવડાવ્યો તેની યાદી નીચે મુજબ છે: ઇજિપ્તનો રાજા ફેરો, તેના અધિકારીઓ, તેના ઉમરાવો અને ઇજિપ્તના બધા લોકો અને ત્યાં વસતા પરદેશીઓની મિશ્ર જાતિઓ; ઉસ દેશના બધા રાજાઓ, પલિસ્તી પ્રદેશના એટલે આશ્કલોન, ગાઝા, એક્રોન તથા આશ્દોદના બાકી રહેલા રાજાઓ; અદોમ, મોઆબ તથા આમ્મોન; તૂર, સિદોનના બધા રાજાઓ તથા ભૂમધ્ય સમુદ્રના ટાપુઓના રાજાઓ: દેદાન, તેમા અને બૂઝ તથા લમણાના વાળ મુંડનાર, અરબસ્તાનના બધા રાજાઓ અને તેમાં વસતી મિશ્ર પ્રજાઓના રાજાઓ; ઝિમ્રી એલામ અને માદીઓના બધા રાજાઓ; ઉત્તરના, દૂરના કે નજીકના એટલે કે ટૂંકમાં પૃથ્વીના બધા દેશોના રાજાઓ. છેલ્લે શેશાખનો રાજા પણ તે પ્યાલો પીશે. *** *** *** *** *** *** *** પછી પ્રભુએ મને કહ્યું, “તું તેમને આમ કહે: ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું તમારા પર યુદ્ધ મોકલું છું; તેથી તમે ચકચૂર બનો ત્યાં સુધી પીઓ, અને પછી વમન કરો! પછી એવા પડો કે ફરીથી ઊભા ન થઈ શકો! અને જો કદાચ તેઓ તારા હાથમાંથી પ્યાલો લઈને પીવાની ના પાડે તો પછી તેમને કહેજે કે સેનાધિપતિ પ્રભુ કહે છે કે તમારે તે પીવો જ પડશે. હું મારે નામે ઓળખાતા નગરથી જ વિનાશનો આરંભ કરું છું; તો પછી શું તમે એમ માનો છો કે તમે બચી જશો? તમે નહિ જ બચવા પામો. કારણ, પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર હું યુદ્ધ મોકલું છું. હું પ્રભુ પોતે આ બોલું છું. હે યર્મિયા, મેં તને જે જે ફરમાવ્યું તે બધું જ તું આ લોકોને પ્રગટ કર. વળી, તેમને કહે કે, ‘પ્રભુ સ્વર્ગમાંથી ગર્જના કરે છે અને પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી ઘાંટો પાડે છે. તે પોતાના લોકની વિરુદ્ધ મોટી ગર્જના કરશે. દ્રાક્ષ ખૂંદનાર માણસની જેમ તે ઘાંટો પાડશે, અને પૃથ્વીના બધા લોકો તે સાંભળશે. અને પૃથ્વીના છેડા સુધી તેનો પડઘો પડશે. કારણ, પ્રભુને સર્વ દેશોના લોકોની વિરુદ્ધ ફરિયાદ છે અને તે સર્વ માનવજાતનો ન્યાય કરશે. સર્વ દુષ્ટોનો તે સંહાર કરશે.’ હું પ્રભુ આ બોલું છું.” સેનાધિપતિ પ્રભુ કહે છે, “એક પછી એક દેશ પર વિપત્તિ આવી રહી છે અને પૃથ્વીના દૂર દૂરના વિસ્તારોથી એક મોટું વાવાઝોડું ફુંકાવાનું છે. તે દિવસે પ્રભુએ જેમનો સંહાર કર્યો હશે તેમનાં શબ પૃથ્વીના એક છેડેથી બીજા છેડા સુધી વેરવિખેર પડી રહેશે. કોઈ તેમને માટે શોક કરશે નહિ, તેમને એકઠાં કરીને દફનાવશે પણ નહિ પણ પૃથ્વીની સપાટી પર ખાતરના ઢગની જેમ પથરાશે.” ઓ લોકના પાલકો, તમે પોક મૂકો, અને વિલાપ કરો, ઓ ટોળાના માલિકો, રાખમાં આળોટીને શોક કરો; કારણ, તમારી ક્તલનો સમય આવી પહોંચ્યો છે; માતેલા ઘેટાની જેમ તમે પણ કપાઈને પડશો. પાલકોને નાસી છૂટવાનો કોઈ માર્ગ રહેશે નહિ, અને માલિકને બચાવવાનો કોઈ ઉપાય રહેશે નહિ. પાલકોની પોક સાંભળો: માલિકોની ચીસો પણ સાંભળો! કારણ, પ્રભુએ પોતાના ઉગ્ર કોપમાં તમારા દેશનો વિનાશ કર્યો છે. *** અને તમારા શાંતિદાયક નિવાસનો પ્રદેશ વેરાન બન્યો છે. જેમ સિંહ પોતાની ગુફા તજી દે તેમ પ્રભુએ પોતાના લોકને તજી દીધા છે. ભયાનક યુદ્ધ અને પ્રભુના ઉગ્ર કોપને લીધે તમારો દેશ ઉજ્જડ બન્યો છે. યોશિયાના પુત્ર, યહૂદિયા રાજા યહોયાકીમના રાજ્યકાળના પ્રથમ વર્ષમાં યર્મિયાને પ્રભુનો સંદેશ મળ્યો. પ્રભુએ પોતાના મંદિરમાં તેને બોલવાનું કહ્યું: “મારા મંદિરના ચોકમાં ઊભો રહે અને યહૂદિયાનાં સર્વ નગરોમાંથી મારા મંદિરમાં ભક્તિ કરવા આવનાર લોકોને સંબોધીને મેં તને જે કહેવાની આજ્ઞા આપી છે તે બધું કહે; એક શબ્દ પણ છોડી દઈશ નહિ; કદાચ, લોકો સાંભળીને પોતાનાં દુષ્ટ આચરણ તજી દે. જો એવું બને તો તેમનાં દુષ્ટ આચરણને લીધે જે મહાન વિપત્તિ હું તેમના પર લાવવાનો હતો તે વિષેનો મારો વિચાર હું માંડી વાળીશ. તેમને કહે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: જો તમે મારું સાંભળશો નહિ, અને તમારી સમક્ષ રજૂ કરેલા મારા નિયમશાસ્ત્રને અનુસરશો નહિ, અને વારંવાર આગ્રહથી મોકલેલા મારા સંદેશવાહક સેવકોના સંદેશને આધીન થશો નહિ, - જો કે આ પહેલાં તો તમે તેમનું સાંભળ્યું જ નથી! - તો હું પવિત્રસ્થાન શિલોહ જેવી આ મંદિરની દુર્દશા કરીશ અને પૃથ્વીની બધી પ્રજાઓની દષ્ટિમાં આ નગરને શાપિત કરીશ.” યજ્ઞકારો, બીજા સંદેશવાહકો અને બધા લોકોએ યર્મિયાને પ્રભુના મંદિરમાં એ સંદેશ પ્રગટ કરતાં સાંભળ્યો. પ્રભુએ લોકોને સંબોધીને જે જે કહેવાની આજ્ઞા કરી હતી તે બધું યર્મિયાએ કહેવાનું જેવું પૂરું કર્યું કે તરત જ યજ્ઞકારો, સંદેશવાહકો અને લોકો તેને પકડી લઈને બોલી ઊઠયા, “તને તો મૃત્યુદંડ જ ઘટે! શા માટે પ્રભુને નામે તેં એવું કહ્યું કે શિલોહની જેમ આ મંદિરનો વિનાશ થશે અને આ નગર નિર્જન ખંડેર બનશે?” એ પછી બધા લોકો યર્મિયાને પ્રભુના મંદિરમાં ઘેરી વળ્યા. પરંતુ યહૂદિયાના અધિકારીઓ આ બનાવ વિષે સાંભળીને રાજમહેલમાંથી મંદિરમાં ઉતાવળે આવ્યા અને મંદિરના નવા દરવાજાના પ્રાંગણમાં બિરાજ્યા. ત્યારે યજ્ઞકારોએ અને સંદેશવાહકોએ અધિકારીઓ અને લોકોને કહ્યું, “આ માણસને દેહાંતદંડની સજા થવી જોઈએ! કારણ, આ માણસે આપણાં નગરની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર્યો છે અને તે તમે બધાએ તમારા કાને સાંભળ્યો છે.” *** તે પછી યર્મિયાએ અધિકારીઓ અને બધા લોકોને સંબોધીને કહ્યું, “પ્રભુએ પોતે મને આ મંદિર અને આ નગર વિરુદ્ધ સંદેશ પ્રગટ કરવા મોકલ્યો હતો; અને તે સંદેશ તમે સાંભળ્યો છે. તો હવે તેથી તમારું સમગ્ર આચરણ અને તમારાં કાર્યો સુધારો અને તમારા ઈશ્વર પ્રભુની વાણી માનો; જેથી પ્રભુએ જે મહાન વિપત્તિ તમારા પર લાવવાની ધમકી ઉચ્ચારી છે તે વિષેનો તેમનો વિચાર માંડી વાળશે. હું તો તમારા હાથમાં છું; તમને જે યોગ્ય અને સાચું લાગે તે પ્રમાણે મારી સાથે વર્તો. પરંતુ એટલું જાણી લો કે જો તમે મને મારી નાખશો તો તમારે શિરે, આ નગર પર અને તેના રહેવાસીઓ પર તમે નિર્દોષજનનું લોહી વહેવડાવવાનો દોષ લાવશો. કારણ, તમને આ ચેતવણી રૂબરૂમાં સંભળાવવા પ્રભુએ મને મોકલ્યો છે.” પછી અધિકારીઓએ અને સર્વ લોકોએ યજ્ઞકારોને તથા સંદેશવાહકોને કહ્યું, “આ માણસ દેહાંતદંડને પાત્ર નથી. કારણ, તેણે આપણા ઈશ્વર પ્રભુને નામે આપણને ઉપદેશ કર્યો છે.” ત્યાર પછી દેશના કેટલાક આગેવાનોએ ઊભા થઈને એકત્ર થયેલા લોકોને કહ્યું, “યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મોરેસેથનો મીખા નામે સંદેશવાહક પ્રભુનો સંદેશ પ્રગટ કરતો હતો. તેણે યહૂદિયાના સર્વ લોકોને આમ કહ્યું હતું, ‘સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; સિયોન નગરને ખેતરની માફક ખેડવામાં આવશે. યરુશાલેમમાં ખંડેરના ઢગલા થઇ જશે, અને મંદિરનો પર્વત જંગલ બની જશે.” શું હિઝકિયા રાજાએ કે યહૂદિયાના લોકોએ મિખાને મારી નાખ્યો હતો? ના, એથી ઊલટું, પ્રભુની બીક રાખીને તેમને પ્રસન્‍ન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પ્રભુ પાસે કૃપાદષ્ટિ યાચી હતી. તેથી પ્રભુએ તેમના પર જે મહાન વિપત્તિ લાવવાની ધમકી આપી હતી તે વિષેનો પોતાનો વિચાર માંડી વાળ્યો. જો આપણે યર્મિયાને દેહાંતદંડની સજા આપીશું તો આપણે આપણા જ જીવોની મોટી હાનિ વહોરી લઈશું. વળી, કિર્યાથ યઆરીમ નગરનો વતની, શમાયાનો પુત્ર ઉરિયા થઇ ગયો. તેણે પણ યર્મિયાની જેમ જ આ નગર અને દેશની વિરુદ્ધ યાહવેને નામે, સંદેશ પ્રગટ કર્યો હતો. જ્યારે યહોયાકીમ રાજા, તેના સર્વ સૈનિકો અને અધિકારીઓએ ઉરિયાનો સંદેશ સાંભળ્યો ત્યારે રાજાએ તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી ઉરિયા બીકનો માર્યો ગભરાઈને ઇજિપ્ત નાસી ગયો. પણ યહોયાકીમ રાજાએ આખ્બોરના પુત્ર એલ્નાથાનને બીજા માણસો સાથે ઇજિપ્ત મોકલ્યો. તેઓ ઉરિયાને ઇજિપ્તમાંથી પકડીને યહોયાકીમ રાજા પાસે પાછો લાવ્યા. રાજાએ તેનો તલવારથી વધ કરાવીને તેનું શબ જાહેર કબ્રસ્તાનમાં ફેંકાવી દીધું.’ પણ શાફાનના પુત્ર અહિકામે યર્મિયાનો પક્ષ લીધો તેથી તેને મારી નાખવા માટે લોકોના હાથમાં સોંપવામાં આવ્યો નહિ.” યહૂદિયાના રાજા અને યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યકાળની શરૂઆતના સમયમાં પ્રભુનો સંદેશ મને મળ્યો. પ્રભુએ આ પ્રમાણે કહ્યું, “તું તારે માટે ઝૂંસરી અને ચામડાની વાધરી બનાવ અને તે ઝૂંસરી તારી ગરદન પર મૂક; ત્યાર પછી અદોમ, મોઆબ, આમ્મોન, તૂર અને સિદોનના રાજાઓને તેમના રાજદૂતોની મારફતે સંદેશો મોકલ; એ રાજદૂતો યહૂદિયાના રાજા સિદકિયાને મળવાને યરુશાલેમ આવેલા છે. તું તેમને તેમના રાજર્ક્તાઓને આ પ્રમાણે સંદેશ આપવા જણાવ: ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ કહે છે કે તમે તમારા રાજાઓને આ પ્રમાણે સંદેશ આપજો. મેં મારી મહાન શક્તિથી અને મારા પ્રચંડ બાહુબળથી પૃથ્વીને, માનવજાતને અને તેમાં વસતાં બધાં પ્રાણીઓને બનાવ્યાં છે અને મારી ઇચ્છા પ્રમાણે ચાહું તેને એ ભૂમિ આપું છું. અને હવે મેં આ બધા દેશોને મારા સેવક, બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધા છે; અરે, હિંસક પશુઓને પણ તેની સેવા કરવા મેં તેને સોંપી દીધાં છે! બધા દેશો તેને, તેના પુત્રને તથા પૌત્રને આધીન રહેશે. પરંતુ નિયત સમયે બેબિલોન દેશનું પણ પતન થશે, અને તે ઘણા દેશો અને શક્તિશાળી રાજાઓની સેવા કરશે. પણ જો કોઈ પ્રજા અથવા દેશ તેની સત્તાને આધીન નહિ થાય અને બેબિલોનના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકવા નહિ દે તો હું તે રાજાને બેબિલોનના રાજાના તાબામાં સોંપી ન દઉં ત્યાં સુધી તેને યુદ્ધ, ભૂખમરા અને રોગચાળાથી સતાવીશ. તેથી તમારા સંદેશવાહકો, જોષ જોનારા, સ્વપ્નદર્શીઓ, ભૂવાઓ કે ધંતરમંતર કરનારાઓ તમને બેબિલોનના રાજાને આધીન થવાનું ના કહે તો તેમનું માનશો નહિ. કારણ, તમને તમારા વતનથી દૂર લઈ જવામાં આવે, અને હું તમને હાંકી કાઢી તમારો નાશ કરું તે માટે તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે. પણ જે દેશ બેબિલોનના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકવા દેશે અને તેને આધીન થશે તેને હું તેના વતનમાં રહેવા દઈશ. દેશના એવા લોકો ખેતી કરશે અને ત્યાં વસવાટ કરશે. હું પ્રભુ આ બોલું છું. યહૂદિયાના રાજા સિદકિયાને પણ આ જ વાત મેં કહી; ‘બેબિલોનના રાજાની ઝૂંસરી નીચે તારી ગરદન ધર અને તેની તથા તેની પ્રજાની સેવા કર, તો તમે જીવતા રહેશો. બેબિલોનના રાજાની સેવા કરવાનું ના પાડનાર પ્રજા વિષે પ્રભુએ આપેલી ચેતવણી પ્રમાણે તારે અને તારી પ્રજાએ યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી શા માટે મરવું જોઈએ? જે સંદેશવાહકો તને સલાહ આપે છે કે બેબિલોનના રાજાને આધીન થઈશ નહિ, તેમનું સાંભળીશ નહિ, તેઓ તને જૂઠો સંદેશ આપી રહ્યા છે. કારણ, પ્રભુ પોતે તેમના વિષે કહે છે કે, ‘મેં તેમને મોકલ્યા નથી છતાં તેઓ મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરે છે કે જેથી હું તમને હાંકી કાઢું અને તમે તથા તમને સંદેશ પ્રગટ કરનાર સંદેશવાહકો નાશ પામો.” પછી મેં યજ્ઞકારો અને બધા લોકોને કહ્યું કે પ્રભુ આ પ્રમાણે કહે છે, “બેબિલોનમાંથી પ્રભુના મંદિરનાં પાત્રો ટૂંક સમયમાં પાછાં લાવવામાં આવશે એવું કહેનાર સંદેશવાહકોનો સંદેશ તમે સાંભળશો નહિ; તેઓ જૂઠું ભવિષ્ય કહે છે. તેમનું સાંભળશો નહિ, પણ બેબિલોનના રાજાને આધીન થાઓ એટલે તમે જીવતા રહેશો! શા માટે આ નગર ઉજ્જડ બની જાય? જો તેઓ સાચા સંદેશવાહકો હોય અને જો તેમને પ્રભુનો સંદેશ મળ્યો હોય તો પછી તેઓ સેનાધિપતિ પ્રભુને વિનંતી કરે કે પ્રભુના મંદિરમાં અને યહૂદિયાના રાજાના મહેલમાં અને યરુશાલેમમાં બાકી રહેલાં પાત્રો પણ બેબિલોન લઇ જવાય નહિ.” બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા અને યરુશાલેમના બધા અગ્રગણ્ય નાગરિકોને યરુશાલેમમાંથી બેબિલોન દેશનિકાલ કર્યો ત્યારે તેણે મંદિરના સ્તંભો, તાંબાના જલકુંડ, બેઠકો તથા મંદિરના અમુક પાત્રો નગરમાં રહેવા દીધાં છે. *** અને પ્રભુના મંદિરમાં, યહૂદિયા રાજાના મહેલમાં અને યરુશાલેમમાં રહી ગયેલાં પાત્રો સંબંધી ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “તે પાત્રોને બેબિલોન લઈ જવામાં આવશે. તેમને હું ફરી સંભારું નહિ ત્યાં સુધી તે ત્યાં જ રહેશે. પછી હું તેમને પાછાં લાવીને આ સ્થળે મૂકીશ. હું પ્રભુ આ બોલું છું.” તે જ વર્ષે એટલે યહૂદિયાના રાજા સિદકિયાના રાજ્યકાળના ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબ્યોન નગરના વતની તથા આઝ્ઝરના પુત્ર હનાન્યા નામે સંદેશવાહકે પ્રભુના મંદિરમાં યજ્ઞકારો અને બધા લોકોના સાંભળતા યર્મિયાને આ પ્રમાણે કહ્યું. “ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘મેં બેબિલોનના રાજાની ઝૂંસરી તોડી નાખી છે. નબૂખાદનેસ્સાર રાજા પ્રભુના મંદિરનાં જે પાત્રો અહીંથી બેબિલોન લઈ ગયો છે તે હું માત્ર બે જ વર્ષમાં આ સ્થળે પાછાં લાવીશ. એ ઉપરાંત યહૂદિયાના રાજા, યહોયાકીમના પુત્ર યહોયાખીનને તથા બેબિલોન દેશમાં દેશનિકાલ કરાયેલા યહૂદિયાના લોકોને પણ હું આ સ્થળે પાછા લાવીશ. કારણ, બેબિલોનના રાજાની સત્તારૂપી ઝૂંસરી હું ભાંગી નાખીશ. હું પ્રભુ એ કહું છું.” ત્યાર પછી મંદિરમાં ઊભા રહેલા યજ્ઞકારો અને બધા લોકોની સમક્ષ યર્મિયાએ સંદેશવાહક હનાન્યાને જવાબ આપ્યો: “આમીન! પ્રભુ એ પ્રમાણે કરો! પ્રભુ તારી આગાહી સાચી પાડો અને બેબિલોન દેશમાંથી મંદિરનાં પાત્રો અને દેશનિકાલ થયેલા બધા લોકોને આ સ્થળે પાછા લાવો. તો પણ મારે તને અને આ બધા લોકોને તમારી રૂબરૂમાં જે કહેવાનું છે તે કૃપા કરી સાંભળ. તારી અને મારી પહેલાં પ્રાચીનકાળમાં થઈ ગયેલા સંદેશવાહકોએ ઘણા દેશો અને મહાન પ્રજાઓ વિરુદ્ધ યુદ્ધ વિપત્તિ અને રોગચાળાની આગાહી કરી હતી. પણ કોઈ સંદેશવાહક સુખશાંતિ વિષે આગાહી કરે અને તેની વાત સાચી ઠરે તો જ તે પ્રભુએ મોકલેલો સંદેશવાહક છે એવું પ્રતિપાદિત થાય.” પછી સંદેશવાહક હનાન્યાએ સંદેશવાહક યર્મિયાની ગરદન પરથી ઝૂંસરી લઈ લીધી અને તેને ભાંગી નાખી. અને બધા લોકો સમક્ષ હનાન્યાએ કહ્યું, “પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘કેવળ બે વર્ષમાં હું આ જ પ્રમાણે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધા દેશોની ગરદન પરથી ઉઠાવી લઈને ભાંગી નાખીશ” પછી યર્મિયા ત્યાંથી જતો રહ્યો. વળી, સંદેશવાહક હનાન્યાએ યર્મિયાની ગરદન પરથી ઝૂંસરી લઈને તોડી નાખી તેના થોડા સમય પછી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો: “હનાન્યા પાસે જઈને તેને કહે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: તેં લાકડાની ઝૂંસરી ભાંગી નાખી છે, પણ એને બદલે, હું લોખંડની ઝૂંસરી બનાવીશ. કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું: મેં બધા દેશોની ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકી છે. એટલે કે તેઓ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરશે તેઓ તેને આધીન થશે. અરે, હિંસક વન્ય પ્રાણીઓ પણ મેં તેની સેવામાં આપ્યાં છે.” પછી સંદેશવાહક યર્મિયાએ સંદેશવાહક હનાન્યાને કહ્યું, “હે હનાન્યા સાંભળ! પ્રભુએ તને મોકલ્યો નથી અને તું આ લોકોને જૂઠા સંદેશ પર વિશ્વાસ કરવા પ્રેરે છે. તેથી પ્રભુ તારે વિષે આ પ્રમાણે કહે છે. હું તને પૃથ્વીના પડ પરથી ફેંકી દઈશ. તેં લોકોને પ્રભુની વિરુદ્ધ બંડ કરવા માટે ઉશ્કેર્યા છે. તેથી તું આ વર્ષે જ મૃત્યુ પામશે.” સંદેશવાહક હનાન્યા એ જ વર્ષના સાતમા મહિનામાં મૃત્યુ પામ્યો. યકોન્યા રાજા, રાજમાતા, રાજમહેલના અધિકારીઓ, યહૂદિયા અને યરુશાલેમના આગેવાનો, કુશળ કારીગરો અને લુહારો યરુશાલેમમાંથી દેશનિકાલ કરાયા તે પછી યર્મિયાએ દેશનિકાલ કરાયેલા લોકોને એક પત્ર પાઠવ્યો. ત્યાં બાકી રહેલા વડીલો, યજ્ઞકારો, સંદેશવાહકો અને જે બીજા લોકોને નબૂખાદનેસ્સાર યરુશાલેમથી બેબિલોન લઈ ગયો તે સર્વને ઉદ્દેશીને યર્મિયાએ એ પત્ર પાઠવ્યો હતો. *** યહૂદિયાના રાજા સિદકિયાએ શાફાનના પુત્ર એલઆસા અને હિલકિયાના પુત્ર ગમાર્યાને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે મોકલ્યા ત્યારે તેમની મારફતે યર્મિયાએ પત્ર મોકલ્યો. પત્રની વિગત આ પ્રમાણે છે: “નબૂખાદનેસ્સાર રાજા દ્વારા યરુશાલેમથી બેબિલોન દેશનિકાલ કરાયેલા બધા લોકોને ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ, આ પ્રમાણે કહે છે: ઘરો બાંધો અને તેમાં વસવાટ કરો. વાડીઓ રોપો અને તેમનાં ફળ આરોગો. લગ્ન કરો અને તમને પુત્રપુત્રીઓ થાઓ. તમારા પુત્રોને પરણાવો અને તમારી પુત્રીઓનાં લગ્ન કરાવો અને તેમને પણ પુત્રો અને પુત્રીઓ થાય; જેથી તમે સંખ્યામાં વૃદ્ધિ પામો અને એમ તમારો ઘટાડો ન થાય. બેબિલોનનાં જે નગરોમાં તમે દેશનિકાલ કરાયા છો ત્યાં તેમના કલ્યાણ માટે ખંતથી પ્રયત્ન કરો અને તેમને માટે મને પ્રભુને પ્રાર્થના કરો, કારણ, તેમના કલ્યાણમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે. હું ઇઝરાયલનો ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ તમને ચેતવું છું. તમારી સાથે વસતા તમારા કહેવાતા સંદેશવાહકો કે ભવિષ્યવેત્તાઓથી છેતરાશો નહિ. તમે તમારાં સ્વપ્નોનો અર્થ જાણવાની કોશિષ પણ કરશો નહિ. તેઓ મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરે છે! મેં તેમને મોકલ્યા જ નથી. હું પ્રભુ પોતે એ કહું છું. પ્રભુ આ પ્રમાણે કહે છે, બેબિલોનનાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી જ હું તમારી ખબર લઈશ અને તમને આ સ્થળે પાછા લાવવાનું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ. તમારે માટે જે યોજનાઓ મેં વિચારી છે તે વિષે હું સજાગ છું. એ યોજનાઓ ભવિષ્યમાં તમારા પર વિપત્તિ લાવવાની નહિ, પણ કલ્યાણ માટેની છે; ભાવિ વિષેની તમારી શુભ આશાઓ પરિપૂર્ણ કરવા માટેની છે. હું પ્રભુ આ બોલું છું. પછી જ્યારે તમે મને પોકાર કરશો અને આવીને મારી પ્રાર્થના કરશો ત્યારે હું તમારું સાંભળીશ. જ્યારે તમે મને શોધશો, હા, જ્યારે તમારા સાચા દયથી શોધશો ત્યારે હું તમને મળીશ. હું પ્રભુ પોતે કહું છું કે હું તમને જરૂર મળીશ; હું તમારી પરિસ્થિતિ પલટી નાખીશ, અને જે જે દેશો અને પ્રજાઓમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હતા તે બધામાંથી હું તમને એકત્ર કરીશ, અને જે જે સ્થળેથી મેં તમને દેશનિકાલ કર્યા હતા તે જ સ્થળે હું તમને પાછા લાવીશ. હું પ્રભુ આ બોલું છું.” તમે કહો છો કે, ‘પ્રભુએ અમારે માટે બેબિલોનમાં પણ સંદેશવાહકો ઊભા કર્યા છે; પણ દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજા અને આ નગરમાં વસતા બધા લોકો એટલે કે તમારી સાથે દેશનિકાલ નહિ કરાયેલા તમારા જાતભાઈઓ વિષે પ્રભુનો સંદેશ સાંભળો.’ સેનાધિપતિ પ્રભુ કહે છે કે, “હું એ લોકો પર યુદ્ધ, દુકાળ અને રોગચાળો મોકલીશ અને હું તેમને ખાઈ ન શકાય તેવા સડેલા અને નકામાં અંજીર જેવા કરીશ. હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો પીછો કરીશ. તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે અને જે જે દેશોમાં હું તેમને હાંકી કાઢીશ ત્યાં તેઓ લોકો માટે શાપ, આઘાત, મશ્કરી અને નામોશીને પાત્ર થઈ પડશે. કારણ, હું મારા સંદેશવાહક સેવકોને વારંવાર આગ્રહથી મોકલતો રહ્યો, પણ તેમણે મારા સંદેશ પ્રત્યે ધ્યાન આપ્યું નહિ. હું પ્રભુ આ બોલું છું. મેં પ્રભુએ કહ્યું તેમ તમે તેમનું સાંભળ્યું જ નહિ. તેથી હવે મેં પ્રભુએ જેમને યરુશાલેમથી બેબિલોન દેશનિકાલ કર્યા છે એવા લોકો તમે મારો સંદેશ સાંભળો: કોલાયાનો પુત્ર આહાબ અને માસૈયાનો પુત્ર સિદકિયા જેઓ મારે નામે તમને જૂઠો સંદેશ પ્રગટ કરે છે તેમને વિષે હું ઇઝરાયલનો ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ કહું છું; કે સાચે જ હું તમને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના કબજામાં સોંપી દઈશ. તે તેમને તમારી નજર સામે જ મારી નાખશે. યરુશાલેમથી બેબિલોન દેશનિકાલ કરાયેલા બધા લોકો એમને જે બનશે તેનો શાપ માટે ઉપયોગ કરશે અને કહેશે, ‘બેબિલોનના રાજાએ જેમને જીવતા અગ્નિમાં ભૂંજી નાખ્યા તે સિદકિયા અને આહાબના જેવી પ્રભુ તમારી દશા કરો.’ એમની એવી દશા થશે કારણ કે તેમણે ઇઝરાયલમાં નિર્લજ્જ કાર્યો કર્યા છે. તેમણે પરસ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મેં તેમને ફરમાવ્યો નહોતો એવો જૂઠો સંદેશ તેમણે મારે નામે પ્રગટ કર્યો છે. પણ હું એ બરાબર જાણું છું અને હું તેનો નજરસાક્ષી છું. હું પ્રભુ પોતે આ બોલું છું.” ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ પ્રભુએ શમાયા નહેલામીને માટે મને એક સંદેશ આપ્યો. યરુશાલેમના બધા લોકોને, માઅસેયાના પુત્ર યજ્ઞકાર સફાન્યાને તથા બીજા યજ્ઞકારોને સંબોધીને શમાયાએ પોતાને નામે સફાન્યાને લખેલા પત્રમાં આ પ્રમાણે લખ્યું હતું: *** ‘પ્રભુએ યહોયાદા યજ્ઞકારને સ્થાને તને પ્રભુના મંદિરમાં મુખ્ય અધિકારી તરીકે નીમ્યો છે. તારી જવાબદારી છે કે જો કોઈ ઘેલો માણસ પોતાને સંદેશવાહક કહેવડાવે તો તેને ગળામાં સાંકળ પહેરાવી તેને લાકડાની હેડમાં પૂરવો.’ તો પછી તેં અનાથોથ ગામના યર્મિયાને કેમ ધમકાવ્યો નથી? તે તો પોતાને તમારો સંદેશવાહક મનાવે છે. અરે, તેણે તો અમને અહીં બેબિલોનમાં સંદેશ મોકલ્યો છે કે, ‘તમે ત્યાં લાંબો સમય રહેશો, તેથી ઘરો બાંધો અને તેમાં વસવાટ કરો. વાડીઓ રોપો અને તેમનાં ફળ આરોગો!’ પણ સફાન્યા યજ્ઞકારે આ પત્ર યર્મિયાને વાંચી સંભળાવ્યો! ત્યારે યર્મિયા પાસે પ્રભુનો સંદેશ આવ્યો. તેમણે કહ્યું કે, “દેશનિકાલ થયેલા બધા લોકોને સંદેશ મોકલાવીને કહે કે, શમાયા નહેલામી વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે કે, શમાયાને મેં મોકલ્યો નથી છતાં તેણે તમને સંદેશ પ્રગટ કર્યો છે, અને તમને જૂઠા સંદેશમાં વિશ્વાસ મૂકવા પ્રેર્યા છે. *** તેથી હું પ્રભુ તેને વિષે આ પ્રમાણે કહું છું: હું શમાયાને અને તેનાં સંતાનોને સજા કરીશ. તેના વંશમાં કોઈ વ્યક્તિ આ પ્રજામાં બચશે નહિ અને હું મારા લોકને જે સુખશાંતિના દિવસો આપીશ તે જોવા તે જીવતો રહેશે નહિ; કારણ, તેણે મારા લોકને મારી વિરુદ્ધ બંડ કરવા ઉશ્કેર્યા છે. હું પ્રભુ આ બોલું છું.” પ્રભુ તરફથી યર્મિયાને આ સંદેશ મળ્યો: “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે, મેં તને જે જે સંદેશાઓ આપ્યા છે તે બધા તું એક પુસ્તકમાં લખી લે. કારણ કે હું પ્રભુ પોતે કહું છું કે એવો સમય આવશે કે જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયાના મારા લોકની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેમના પૂર્વજોને મેં જે દેશ આપ્યો હતો ત્યાં હું તેમને પાછા લાવીને ફરીથી વસાવીશ. હું પ્રભુ પોતે આ બોલું છું.” ઇઝરાયલ અને યહૂદિયાના લોકોને પ્રભુ કહે છે: “મેં એક ભયાનક ચીસ સાંભળી, તેમાં શાંતિનો નહિ, પણ આતંકનો પોકાર હતો, જરા તપાસ કરી જૂઓ! શું કોઈ પુરુષ કદી બાળકને જન્મ આપી શકે? તો પછી હું દરેક પુરુષને પ્રસૂતાની જેમ પીડાઈને પોતાનું પેટ દાબતો કેમ જોઉં છું? વળી, બધાનાં મુખ કેમ ફિક્કાં પડી ગયાં છે? અરેરે, એક એવો ભયાનક દિવસ આવે છે કે જેને બીજા કોઈ દિવસ સાથે સરખાવી શકાય નહિ; તે તો યાકોબના વંશજો માટે સંકટનો સમય હશે; છતાં તેઓ તેમાંથી ઊગરી જશે. “હું સેનાધિપતિ પ્રભુ પોતે કહું છું કે તે દિવસે હું તેમની ગરદન પરથી તેની ઝૂંસરી તોડી નાખીશ અને તેમનાં બંધનો છોડી નાખીશ. તેઓ ફરીથી પરદેશીઓની ગુલામી કરશે નહિ, પણ તેઓ મારી, તેમના ઈશ્વર પ્રભુની અને જેને રાજા બનાવું તે દાવિદના વંશજની સેવા કરશે.” પ્રભુ કહે છે, “મારા સેવક યાકોબના વંશજો, બીશો નહિ; હે ઇઝરાયલના લોકો, ભયભીત થશો નહિ; કારણ, દૂર દેશમાંથી હું તમને છોડાવીશ, અને તમારા વારસોને હું દેશનિકાલની ધરતી પરથી પાછા લાવીશ. યાકોબના વારસો પાછા આવીને શાંતિ અને સલામતીમાં જીવશે અને કોઈ તેમને ડરાવશે નહિ. કારણ, હું તમારો બચાવ કરવાને તમારી સાથે છું; હું પ્રભુ પોતે એ બોલું છું. જે જે દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા તે બધાંનું હું નિકંદન કાઢી નાખીશ, પણ હું તમારો વિનાશ કરીશ નહિ; હું તમને ન્યાયના ધોરણે જરૂરી એવી શિક્ષા કરીશ; અને હું તમને શિક્ષા કરવામાંથી બાક્ત રાખીશ નહિ.” વળી, પ્રભુ પોતાના લોકને આ પ્રમાણે કહે છે: “તમારો ઘા રૂઝાય તેવો નથી, અને તારો જખમ જીવલેણ છે, તમારો પક્ષ લેનાર કોઈ નથી, તમારા ઘા માટે કોઈ અક્સીર દવા નથી, એને રુઝ આવવાની કોઈ આશા નથી. તમારા બધાં મિત્રરાજ્યો તમને ભૂલી ગયાં છે, તેઓ તમારી ખબર પણ પૂછતાં નથી. તમારી ભારે દુષ્ટતા અને તમારાં અઘોર પાપને લીધે મેં તમને એ સજા કરી છે. મેં તમારા પર નિર્દય શત્રુની જેમ પ્રહાર કર્યો અને તમને આકરી સજા કરી છે. તમારા ઘા માટે કેમ બૂમ પાડો છો? તમારા જખમનો કોઈ ઈલાજ નથી. કારણ, તમારી ભારે દુષ્ટતા અને તમારાં અઘોર પાપોને લીધે મેં તમને એ સજા કરી છે. તો પણ તમારો ભક્ષ કરનારા પોતે જ ભક્ષ થઈ પડશે, અને તમારા બધા શત્રુઓ દેશનિકાલ પામશે. તમારા પર જુલમ કરનારા જુલમનો ભોગ બનશે, અને તમને લૂંટી લેનારા લૂંટાઈ જશે. પણ છેવટે હું તમને આરોગ્ય પાછું આપીશ અને તમારા ઘા રુઝવીશ; ભલેને પછી તેઓ તમને ‘તજી દેવાયેલા’ અને ‘સિયોનની કોને દરકાર છે’ એમ કહે! હું પ્રભુ આ બોલું છું.” પ્રભુ કહે છે, “હું યાકોબના વંશજોના તંબૂઓને પુન: ઊભા કરીશ, અને તેમના દરેક ઘરકુટુંબ પર દયા દર્શાવીશ. યરુશાલેમ તેના જૂના ટીંબા પર ફરીથી બંધાશે, અને તેના રાજમહેલને તેના મૂળ સ્થાને પુન: સ્થાપિત કરવામાં આવશે. તેમાં વસનારા લોકો ઈશ્વરની સ્તુતિ કરશે અને હર્ષનો જય જયકાર કરશે. હું તેમની સંખ્યામાં વૃદ્ધિ કરીશ અને તેમાં ઘટાડો કરીશ નહિ, હું તેમને ગૌરવવાન કરીશ અને તેઓ અપમાનિત થશે નહિ. તેમનાં સંતાનો પ્રાચીન સમયના જેવા શક્તિશાળી થશે, તેમનો સમાજ મારી સમક્ષ પુન: સ્થાપિત થશે; અને તેમના પર જુલમ કરનારાઓને હું સજા કરીશ. તેમનો શાસક તેમના પોતાનામાંનો જ હશે, અને તેમની મધ્યેથી જ તેમનો અધિકારી થશે; હું તેને આમંત્રણ આપીશ, એટલે તે મારી પાસે આવશે. કારણ, મારા આમંત્રણ વગર મારી પાસે આવીને, પોતાનો જીવને જોખમમાં નાખવાની હિંમત કોણ કરે? તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ.” (પ્રભુનો કોપ વંટોળિયાની માફક વછૂટશે અને વાવાઝોડાની માફક દુષ્ટોના શિરે ત્રાટકશે. પ્રભુનો સંકલ્પ પાર પડે નહિ, ત્યાં સુધી પ્રભુનો ઉગ્ર કોપ શમશે નહિ. ભવિષ્યમાં એ તમને સમજાશે.) પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે હું ઇઝરાયલના સર્વ કુળોનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે. વળી, હું પ્રભુ એ પણ કહું છું કે જે લોકો તલવારથી બચી ગયા તેમના પર રણપ્રદેશમાં મેં દયા દર્શાવી હતી. જ્યારે ઇઝરાયલ પ્રજા વિસામો શોધતી હતી, ત્યારે મેં તેમને દૂરથી દર્શન દીધું હતું. હે ઇઝરાયલના લોકો, મેં સાચે જ તમારા પર અગાધ મમતા રાખી છે અને અવિચળ પ્રેમથી તમને મારી તરફ આકર્ષ્યા છે; હું તમને ફરીથી પાછા ઉઠાવીશ અને તમે ઊભા થશો; તમે ફરીથી તમારી ખંજરીઓ ઉઠાવીને આનંદથી નાચગાન કરશો. તમે ફરીથી સમરૂનના ટેકરાઓ પર દ્રાક્ષાવાડીઓ રોપશો, અને એ વાડીઓ રોપનારા જ તેનાં ફળ ખાશે. કારણ, એવો દિવસ આવશે જ્યારે એફ્રાઈમ પ્રદેશના પર્વતો પર ચોકીદારો પોકાર કરશે, ‘ચાલો, આપણે આપણા ઈશ્વર પ્રભુ પાસે સિયોન જઈએ.” પ્રભુ આ પ્રમાણે કહે છે, “યાકોબના વંશજોને લીધે આનંદથી જયજયકાર કરો, અને પ્રજાઓમાં એ સર્વશ્રેષ્ઠ લોકો માટે હર્ષના પોકાર કરો. સ્તુતિનાં ગીતો ગાઓ અને કહો, પ્રભુએ પોતાના લોકોનો ઉદ્ધાર કર્યો છે. અને બાકી રહેલાઓને બચાવી લીધા છે. જુઓ, હું એ લોકોને ઉત્તરના પ્રદેશમાંથી પાછા લાવીશ અને પૃથ્વીને છેડેથી હું તેમને એકત્ર કરીશ. તેમની સાથે અંધજનો, પંગુજનો, સગર્ભા સ્ત્રીઓ અને પ્રસૂતા, સૌ એકઠાં થશે, તેઓ વિરાટ જનસમુદાયમાં પાછા આવશે. તેઓ રડતાં રડતાં અને આજીજી કરતાં આવશે, પણ હું તેમને આશ્વાસન સહિત દોરી લાવીશ. હું તેમને વહેતાં ઝરણાંઓ પાસે ચલાવીશ; અને ઠોકર ન લાગે એવા સપાટ માર્ગે ચલાવીશ. કારણ, હું ઇઝરાયલી પ્રજાનો પિતા છું અને એફ્રાઈમનું કુળ મારો જયેષ્ઠ પુત્ર છે. પ્રભુ પ્રજાઓને કહે છે: “હે પ્રજાઓ, મારો સંદેશ સાંભળો અને છેક દરિયાપારના દેશોમાં તે પ્રગટ કરો. મેં મારા ઇઝરાયલી લોકને વેરવિખેર કરી નાખ્યા હતા, પણ છેવટે ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને સાચવે તેમ હું તમને સાચવીશ. સાચે જ પ્રભુએ યાકોબના વંશજોને મુક્ત કર્યા છે અને તેમના કરતાં બળવાન પ્રજાના હાથમાંથી તેમનો ઉદ્ધાર કર્યો છે. તેઓ સિયોનના પર્વત પર જય જયકાર કરતા આવશે. તેઓ પ્રભુની ભલાઈથી કિલ્લોલ કરશે. તેઓ પ્રભુની બધી બક્ષિસો એટલે, અનાજ,દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઘેટાં અને ઢોરઢાંક આનંદથી ભોગવશે. તેમનાં જીવન પૂરેપૂરી રીતે સિંચાયેલી વાડી જેવાં થશે, અને તેઓ ફરીથી ઝૂરશે નહિ. ત્યારે યુવતીઓ આનંદથી નૃત્ય કરશે, યુવાનો અને વૃદ્ધો આનંદ કરશે; કારણ, તેમના શોકને હું આનંદમાં પલટી નાખીશ, અને તેમનું દુ:ખ દૂર કરીને તેમને સાંત્વન અને હર્ષ આપીશ. હું યજ્ઞકારોને ઉત્તમ આહારથી તૃપ્ત કરીશ અને મારા લોકો મારી બક્ષિસોથી સંતૃપ્ત થશે. હું પ્રભુ પોતે આ બોલું છું.” પ્રભુ આ પ્રમાણે કહે છે, “રામા પ્રદેશમાં રુદનનાં ડૂસકાં સંભળાય છે; એ અતિ કરુણ વિલાપ છે. રાહેલ પોતાનાં સંતાનો માટે રડે છે; અને તેના પુત્રો માટે સાંત્વન સ્વીકારવાની ના પાડે છે. કારણ, તેઓ તેની પાસે રહ્યાં નથી. હું પ્રભુ તેને આ પ્રમાણે કહું છું: ધ્રૂસકે ધ્રૂસકે રડવાનું બંધ કર, અને તારાં આંસુ સારવાનું બંધ કર. કારણ, તારું કષ્ટ વ્યર્થ જશે નહિ. તારાં સંતાનો શત્રુના દેશમાંથી તારી પાસે પાછાં આવશે. તારા ભાવિ માટે આશા છે; કારણ, તારાં બાળકો પોતાનાં વતનમાં પાછાં આવશે; હું પ્રભુ પોતે એ બોલું છું. મેં એફ્રાઈમના લોકોના પશ્ર્વાતાપનો વિલાપ સાચે જ સાંભળ્યો છે; તે કહે છે, ‘હે ઈશ્વર, અમે વણપલોટાયેલા વાછરડા જેવા હતા; તેથી અમને શિસ્તમાં લાવવા તમે અમને સજા કરી. અમને તમારા તરફ પાછા ફેરવો, એટલે અમે પાછા ફરીશું; કારણ, તમે અમારા ઈશ્વર પ્રભુ છો. અમે તમારો ત્યાગ કર્યો હતો, પણ હવે અમે પસ્તાવો કરીને તમારી પાસે પાછા આવ્યા છીએ. અમને સમજણ આવ્યા પછી ખૂબ શરમ લાગી, અમારી યુવાન વયના અપરાધોને લીધે હવે અમને શરમ લાગે છે અને લજ્જા આવે છે.’ એફ્રાઈમ કુળના લોકો મારે માટે લાડીલા પુત્ર સમાન છે, તે મારે માટે પ્રિય બાળક સમાન છે. જેટલીવાર મારે તેમને ધમકી આપવી પડે છે, તેટલીવાર મને એ યાદ આવે છે. તેથી તેમને માટે મારું દિલ ઝૂરે છે, અને હું જરૂર તેમના પર રહેમ દાખવીશ. હું પ્રભુ પોતે કહું છું. હે ઇઝરાયલના લોકો, તમારે માટે રસ્તાઓ દર્શાવતી નિશાનીઓ મૂકો, અને માર્ગદર્શક સ્તંભો ઊભા કરો. તમે જે રાજમાર્ગે ગયા હતા, તે ધ્યાનમાં રાખો. તમે પાછા ફરો; તમારાં નગરોમાં પાછા આવો. હે મને બેવફા નીવડેલા લોકો, તમે ક્યાં સુધી રઝળતા રહેશો! કારણ, મેં પ્રભુએ પૃથ્વી પર નવીનતા ઉત્પન્‍ન કરી છે: સ્ત્રી પોતાના પતિને પુનર્મિલનમાં ભેટી પડી છે! ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું મારા લોકને દેશનિકાલમાંથી પાછા લાવીને તેમના વતનમાં પુન: વસાવીશ ત્યારે યહૂદિયામાં અને તેનાં નગરોમાં આવો આશીર્વાદ ઉચ્ચારાશે: ‘હે ન્યાયના નિવાસસ્થાન સમા પવિત્ર પર્વત, પ્રભુ તને આશિષ આપો.’ યહૂદિયાનાં બધાં નગરોમાં લોકો, ખેડૂતો અને ઘેટાબકરાં પાળનારા સાથે વસશે. નિર્ગત જનોને હું તાજગી પમાડીશ અને નિર્બળોને હું તૃપ્ત કરીશ.” એના સુખદ સ્વપ્નથી હું સફાળો જાગી ઊઠયો અને જોવા લાગ્યો, મારી એ ઊંઘ મીઠી હતી. પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે ઇઝરાયલ અને યહૂદિયાના પ્રદેશોને હું જનજનાવરથી ભરચક કરી દઈશ. એક વેળાએ હું તેમને ઉખેડી નાખવા, તોડી નાખવા, ઉથલાવી પાડવા, નાશ કરવા અને દુ:ખ દેવા સજાગ હતો તેમ હવે હું તેમને બાંધવા અને રોપવા માટે સજાગ રહીશ. હું પ્રભુ આ બોલું છું. તે સમયે કોઈ ફરીથી એમ નહિ કહે કે, ‘ખાટી દ્રાક્ષ તો માબાપે ખાધી પણ બાળકોના દાંત ખટાઈ ગયા!’ એને બદલે, જે કોઈ ખાટી દ્રાક્ષ ખાશે તેના જ દાંત ખટાઈ જશે અને દરેક વ્યક્તિ પોતાના જ પાપે મરશે. પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયાના લોકો સાથે નવો કરાર કરીશ. હું તેમના પૂર્વજોનો હાથ પકડીને તેમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવ્યો ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો આ કરાર નહિ હોય. હું તેમનો પતિ હોવા છતાં તેમણે મારો કરાર ઉથાપ્યો. પણ હવે પછી હું ઇઝરાયલના લોકો સાથે જે નવો કરાર કરીશ તે આ પ્રમાણે હશે. હું તેમની મધ્યે મારા નિયમની પુન: પ્રતિષ્ઠા કરીશ અને તેને તેમના દયપટ પર લખીશ. હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે. ત્યારે ‘પ્રભુને ઓળખ’ એમ કહીને કોઈએ પોતાના જાતભાઈને અથવા કુટુંબીજનને પ્રભુની ઓળખ વિષે શિક્ષણ આપવાની જરૂર રહેશે નહિ. કારણ, નાનામોટાં સૌ મને ઓળખશે. કારણ, હું તેમના દોષ માફ કરીશ અને તેમનાં પાપ યાદ કરીશ નહિ. હું પ્રભુ પોતે આ બોલું છું.” જે પ્રભુ દિવસે પ્રકાશ આપવા માટે સૂર્યને અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને નક્ષત્રોને તેમની કક્ષામાં પરિભ્રમણ કરાવે છે, અને સમુદ્રને એવો ખળભળાવે છે કે તેનાં મોજાં ગર્જી ઊઠે, તેમનું નામ સેનાધિપતિ યાહવે છે; એ જ પ્રભુ આમ કહે છે: “મેં સ્થાપેલો આ કુદરતી ક્રમ જારી રહે ત્યાં સુધી ઇઝરાયલી લોકનું એક પ્રજા તરીકેનું અસ્તિત્વ મારી સમક્ષ ચાલુ રહેશે. હું પ્રભુ આ બોલું છું.” વળી, પ્રભુ આ પ્રમાણે કહે છે: “જો કાઈ ઉપરનાં આકાશ માપી શકે અને પૃથ્વીની નીચેના પાયાઓ શોધી શકે તો જ હું ઇઝરાયલના વંશજોનો તેમનાં કાર્યોને લીધે ત્યાગ કરી શકું! હું પ્રભુ પોતે આ બોલું છું.” વળી, પ્રભુ કહે છે: “એવો સમય આવશે જ્યારે પ્રભુના નગર યરુશાલેમનો કોટ હનામએલના મિનારાથી પશ્ર્વિમે ખૂણાના દરવાજા સુધી ફરીથી બાંધવામાં આવશે. અને હદ માપવાની દોરી ત્યાંથી સીધી પશ્ર્વિમમાં ગારેબના ટીંબા અને ગોઆહ સુધી જશે. અને જ્યાં મૃતદેહો દફનાવવામાં આવે છે અને કચરો બાળી નાખવામાં આવે છે એ આખો ખીણપ્રદેશ અને કિદ્રોનના વહેળા પરના બધાં ખેતરોથી છેક પૂર્વમાં ઘોડા દરવાજા સુધીનો બધો વિસ્તાર પ્રભુને માટે પવિત્ર થશે. તે પછી એ નગરને ફરીથી કદી તોડી પાડવામાં આવશે નહિ કે તેનો નાશ થશે નહિ.” યહૂદિયાના રાજા સિદકિયાના રાજ્યકાળના દશમા વર્ષે અને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના રાજ્યકાળના અઢારમા વર્ષે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો. એ સમયે બેબિલોનના રાજાના લશ્કરે યરુશાલેમને ઘેરો ઘાલ્યો હતો અને યર્મિયાને રાજમહેલના ચોકીદારોના ચોકમાં નજરકેદ રાખવામાં આવ્યો હતો. યર્મિયા જે સંદેશ પ્રગટ કરતો હતો તે સંદેશ તે શા માટે પ્રગટ કરે છે એવા આક્ષેપસર યહૂદિયાના રાજા સિદકિયાએ તેને કેદ કર્યો હતો. યર્મિયાનો સંદેશ આવો હતો. આ પ્રભુનો સંદેશ છે: “હું આ નગરને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દઈશ અને તે તેને જીતી લેશે. યહૂદિયાનો રાજા સિદકિયા ખાલદીઓના સકંજામાંથી છટકી શકશે નહિ, પણ તેને બેબિલોનના રાજાના હાથમાં અચૂક સોંપી દેવાશે. તે તેને નજરોનજર જોશે અને તેની સાથે રૂબરૂમાં વાત કરશે. તે સિદકિયાને બેબિલોન લઈ જશે અને હું તેની ખબર ન લઉં ત્યાં સુધી સિદકિયા બેબિલોનમાં જ રહેશે. જો કે તમે ખાલદીઓની સામે યુદ્ધ કરશો તોપણ તમે વિજય મેળવશો નહિ.” પછી પ્રભુનો આવો સંદેશ મને યર્મિયાને મળ્યો: તારા કાકા શાલ્લુમનો પુત્ર હનામએલ તારી પાસે આવીને અનાથોથમાંનું તેનું ખેતર ખરીદવા તને વિનંતી કરશે. કારણ, તું તેનો નિકટનો સગો છે અને એ ખેતર ખરીદવાનો તારો હક્ક છે.” *** પછી પ્રભુના કહેવા પ્રમાણે મારા ક્કાનો પુત્ર હનામએલ ચોકીદારોના ચોકમાં મારી પાસે આવ્યો અને મને કહ્યું, “અનાથોથમાંનું મારું ખેતર તું ખરીદી લે. કારણ, નિકટના સગા તરીકે ખરીદવાનો અને વારસો રાખવાનો સૌ પ્રથમ હક્કતારો છે. તું તારે પોતાને માટે તે ખરીદ કર” તેથી મને ખાતરી થઈ કે આ તો પ્રભુનો જ આદેશ છે. તેથી મેં મારા કાકાના પુત્ર હનામએલ પાસેથી અનાથોથમાંનું તેનું ખેતર ખરીદી લીધું અને તેની કિંમત ચાંદીની સત્તર મહોર જેટલી થઈ; જે મેં તેને તોળીને ચૂકવી. મેં સાક્ષીઓની રૂબરૂમાં વેચાણખત પર સહી કરીને મહોરમુદ્રા કરી અને નાણું ત્રાજવામાં તોળી આપ્યું. ત્યાર પછી નિયમ પ્રમાણે મેં વેચાણખતની સીલબંધ નકલ અને ખુલ્લી નકલ લીધી, અને મારા ક્કાનો પુત્ર હનામએલ તથા વેચાણખત પર સાક્ષીઓ તરીકે સહીં કરનાર માણસો અને ચોકીદારોના ચોકમાં જે યહૂદીઓ હાજર હતા તેમની રૂબરૂમાં એ વેચાણખત માઅસેયાના પૌત્ર અને નેરિયાના પુત્ર બારૂખના હાથમાં આપ્યું. એ બધાની સમક્ષ મેં બારૂખને આ પ્રમાણે સૂચના આપી. “આ દસ્તાવેજો એટલે કે વેચાણખતની સીલબંધ નકલ અને ખુલ્લી નકલ લે અને લાંબો સમય સચવાઈ રહે તે માટે તેમને માટીની બરણીમાં રાખી મૂક. કારણ, ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ કહે છે કે, ‘આ દેશમાં ફરીથી મકાનો, ખેતરો અને દ્રાક્ષવાડીઓ ખરીદવામાં આવશે.” નેરિયાના પુત્ર બારૂખને વેચાણખત આપ્યા પછી મેં પ્રભુને પ્રાર્થના કરી. “હે સેનાધિપતિ પ્રભુ, તમારા મહાન સામર્થ્યથી અને પ્રચંડ બાહુબળથી તમે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે; તમારે માટે કશું અશક્ય નથી. તમે હજારો પેઢીઓ સુધી તમારો અવિચળ પ્રેમ દર્શાવો છો; પણ પૂર્વજોના દોષ માટે તેમનાં સંતાનોને ભરીપૂરીને શિક્ષા કરો છો. તમે મહાન અને સામર્થ્યવાન ઈશ્વર છો તમારું નામ સેનાધિપતિ યાહવે છે. તમારા ઇરાદાઓ મહાન અને તમારાં કાર્યો અદ્‍ભુત છે. તમે માનવજાતનાં બધાં કાર્યો નિહાળો છો અને પ્રત્યેકને તેનાં આચરણ અને કાર્યો પ્રમાણે બદલો આપો છો. તમે ઇજિપ્ત દેશમાં અજાયબ કાર્યો અને ચમત્કારો કર્યા હતા અને આજે પણ ઇઝરાયલમાં અને સમસ્ત પૃથ્વી પર એ રીતે કાર્યરત છો. તેથી તમારી કીર્તિ સર્વત્ર ફેલાઈ છે અને તે આજ સુધી કાયમ છે; અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો વડે અમારા શત્રુઓમાં આતંક ફેલાવીને તમે તમારા બળવાન હાથના પ્રહારથી તેમજ તમારો હાથ લંબાવીને તમે ઇઝરાયલ લોકોને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા. અને તેમના પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમે તેમને દૂધમધની રેલમછેલવાળો આ ફળદ્રુપ પ્રદેશ આપ્યો છે. પણ દેશમાં પ્રવેશીને તેનો કબજો લીધા પછી તેમણે તમારી વાણી પર ધ્યાન આપ્યું નહિ; તેમણે તમારા નિયમ પાળ્યા નહિ, અને તેઓ તમારી આજ્ઞાઓ પ્રમાણે વર્ત્યા નહિ; તેથી આ બધી આફત તમે તેમના પર લાવ્યા છો. પ્રભુએ કહ્યું, “જો બેબિલોનના લશ્કરે યરુશાલેમ નગરને જીતી લેવા માટે મોરચા ઊભા કર્યા છે; ખાલદીઓએ તે પર રહીને હલ્લો ચલાવ્યો છે અને યુદ્ધ, દુકાળ અને રોગચાળાને લીધે નગર તેમના હાથમાં પડયું છે. તારો સંદેશ સાચો પડયો છે અને તે તું તારી નજરે જુએ છે.” ત્યારે મેં કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર તમે તો મને આદેશ આપ્યો કે ‘ખેતર ખરીદી લે, તેની કિંમત ચૂકવ અને તે વેચાણ માટે સાક્ષીઓ રાખ;’ જ્યારે નગર તો ખાલદીઓના હાથમાં ગયું છે!” પછી પ્રભુનો સંદેશ મને મળ્યો. “હું યાહવે સમસ્ત માનવજાતનો ઈશ્વર છું. શું મારે માટે કઈ અશક્ય છે? *** તેથી હું પ્રભુ આ પ્રમાણે કહું છું: જો, હું આ નગરને ખાલદીઓના તથા બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારને હવાલે કરીશ અને તેઓ તેને જીતી લેશે; તેના પર આક્રમણ કરનાર ખાલદીઓ નગરમાં પ્રવેશીને તેને આગ ચાંપશે અને તેને તથા જે ઘરોની અગાસીઓ પર મને રોષ ચડાવવા માટે બઆલને ધૂપ ચડાવ્યો હતો અને અન્ય દેવોને દ્રાક્ષાસવના પેયાર્પણ રેડયાં હતાં તે બધાં ઘરો સહિત તેને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. કારણ, ઇઝરાયલ તેમ જ યહૂદિયાના લોકોએ તેમના ઇતિહાસના આરંભથી જ તેમનાં ભૂંડાં આચરણોથી મને નારાજ કર્યો છે અને ઇઝરાયલના વંશજોએ પોતાના હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરીને મને ક્રોધિત કર્યો છે. હું પ્રભુ આ બોલું છું. આ શહેરને બાંધવામાં આવ્યું ત્યારથી આજ સુધી મને ક્રોધાયમાન અને કોપાયમાન કરવામાં આવ્યો છે અને મેં તેનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે. કારણ, ઇઝરાયલ તેમ જ યહૂદિયાના લોકો, તેમના રાજાઓ, અધિકારીઓ, યજ્ઞકારો, સંદેશવાહકો તથા યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓએ તેમનાં દુષ્ટ આચરણથી મને ક્રોધિત કર્યો છે. તેમણે મારી તરફ મુખ ફેરવવાને બદલે તેમની પીઠ ફેરવી છે; હું તેમને વારંવાર આગ્રહથી બોધ કરતો આવ્યો છું, પણ તેમણે મારી વાણી સાંભળી નહિ, અને મારું શિક્ષણ સ્વીકાર્યું નહિ. એને બદલે, તેમણે તો મારે નામે ઓળખાતા મંદિરમાં તેમની ધૃણાસ્પદ મૂર્તિઓ સ્થાપીને તેને ભ્રષ્ટ કર્યું છે; તેમણે હિન્‍નોમની ખીણમાં બઆલ દેવની પૂજા માટે ઉચ્ચસ્થાન બાંધ્યું છે; જેથી તેઓ મોલેખ દેવને પોતાનાં પુત્રપુત્રીઓને અગ્નિમાં હોમીને બલિ ચડાવે. મેં તેમને એવું કરવાની ક્યારેય આજ્ઞા આપી નથી, અરે, મારા મનમાં એનો વિચાર સરખોય આવ્યો નથી કે તેઓ એવાં ધૃણાસ્પદ કાર્યો કરીને યહૂદિયાના લોકોને પાપમાં પાડે.” તેથી ઈઝરાયલના ઈશ્વર પ્રભુ હવે આ પ્રમાણે કહે છે: “યર્મિયા, લોકો કહે છે કે યુદ્ધ, દુકાળ અને રોગચાળા દ્વારા આ નગર બેબિલોનના રાજાના હાથમાં પડશે. પણ હવે મારે એથી વિશેષ જે કહેવાનું છે તે સાંભળ. મારા ક્રોધમાં અને મહાકોપમાં મેં તમને અન્ય દેશોમાં વેરવિખેર કરી નાખ્યા હતા; પણ હવે હું તેમને ત્યાંથી એકત્ર કરીને આ સ્થળે પાછા લાવીશ અને તેમને સલામતીમાં વસાવીશ. તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ. તેમના તથા તેમના વંશવારસોના હિતને માટે હું તેમને એકનિષ્ઠ હૃદય અને એક જીવનયેય આપીશ કે તેઓ સર્વસમધ્યે મારા પ્રત્યે ભક્તિભાવ દાખવે. હું તેમની સાથે સાર્વકાલિક કરાર કરીશ. હું તેમનું કલ્યાણ કરવામાં ખચકાઈશ નહિ અને તેઓ ફરી કદી મારો ત્યાગ ન કરે માટે હું તેમના હૃદયમાં મારા પ્રત્યે પૂજ્યભાવયુક્ત ડર મૂકીશ. તેમનું કલ્યાણ કરવામાં હું આનંદ માનીશ અને મારા પૂરા દયથી અને સંપૂર્ણ દિલથી હું તેમને આ દેશમાં કાયમને માટે સંસ્થાપિત કરીશ. “હું જ આ લોક પર મહાન આફત લાવ્યો હતો અને હવે હું જ મારા વચન મુજબ તેમનું બધી રીતે કલ્યાણ કરીશ. લોકો કહે છે કે, ‘આ દેશ વેરાન બની ગયો છે અને માણસો કે પ્રાણીઓ તેમાં વસતાં નથી અને તેને ખાલદીઓના લશ્કરને હવાલે કરવામાં આવ્યો છે.’ પરંતુ આ દેશમાં ફરીથી ખેતરો ખરીદવામાં આવશે. બિન્યામીન કુળના પ્રદેશમાં, યરુશાલેમની આસપાસનાં ગામોમાં, યહૂદિયાનાં નગરોમાં, પહાડી પ્રદેશનાં નગરોમાં, શફેલાના ખીણપ્રદેશનાં નગરોમાં, અને યહૂદિયાની દક્ષિણના નેગેબપ્રદેશનાં નગરોમાં લોકો ખેતરો ખરીદશે, તેની કિંમત ચૂકવશે, તે માટે વેચાણખત કરી સહીંસિક્કા કરશે અને સાક્ષીઓ હાજર રાખશે. કારણ, હું મારા લોકોને વતનમાં પાછા વસાવીશ. હું પ્રભુ આ બોલું છું.” યર્મિયા હજુ ચોકીદારોના ચોકમાં રખાયો હતો, ત્યારે પ્રભુનો સંદેશ તેને બીજીવાર મળ્યો. પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર અને તેની રચના કરી તેને સ્થાપિત કરનાર ઈશ્વર જેમનું નામ યાહવે છે, તે કહે છે, “મને પોકાર કર, એટલે હું તને ઉત્તર આપીશ અને જે મહાન અને ગહન બાબતો વિષે તું કશું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ. કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહું છું: યરુશાલેમનાં મકાનો અને યહૂદિયાના રાજાઓના મહેલોને ખાલદીઓનાં લશ્કર ઘેરા આક્રમણથી તોડી પાડી ખંડેર બનાવશે. ખાલદીઓ અંદર પ્રવેશીને ભારે યુદ્ધ મચાવશે અને મારા કોપમાં સંહાર કરેલા માણસોના મૃતદેહોથી તેઓ એ ખંડેરોને ભરી દેશે. આ નગરના લોકોનાં દુષ્કૃત્યોને લીધે મેં મારું મુખ તેનાથી ફેરવી લીધું છે; પરંતુ આખરે હું તેમના ઘા પર રૂઝ લાવીને તેમને આરોગ્ય આપીશ, હું તેમને નીરોગી કરીશ અને હું તેમને અપાર શાંતિ અને સલામતી બક્ષીશ. યહૂદિયા અને યરુશાલેમને હું સમૃદ્ધ કરીશ અને તેમને પહેલાંના જેવાં ફરી બાંધીશ. મારી વિરુદ્ધ પાપ કરવાને લીધે તેમને જે દોષ લાગ્યો છે તેથી હું તેમને શુદ્ધ કરીશ, અને તેમણે મારી વિરુદ્ધ બંડ કરીને કરેલા તેમના બધા અપરાધો હું માફ કરીશ. યરુશાલેમ મારે માટે આનંદ, સ્તુતિ અને ગૌરવનું સ્રોત થઈ પડશે. યરુશાલેમને મેં આપેલી સંપત્તિ અને સમૃદ્ધિની વાતો સાંભળીને દુનિયાના બધા દેશો ભયથી કાંપી ઊઠશે.” પ્રભુ આ પ્રમાણે કહે છે: “લોકો કહે છે કે આ સ્થાન તો ઉજ્જડ છે તેમાં કોઈ જનજનાવર વસતું નથી. એટલે કે, યહૂદિયાનાં નગરો અને યરુશાલેમની શેરીઓ ઉજ્જડ છે અને માણસો કે પ્રાણીઓ ત્યાં વસતાં નથી. પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.” સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “આ દેશ વેરાન અને માણસ કે પ્રાણીની વસ્તી વગરનો લાગે છે પણ ફરીથી તેનાં નગરોમાં ઘેટાંપાલકો માટે ચરાણનાં મેદાનો હશે. પહાડીપ્રદેશના નગરોમાં, શફેલા પ્રદેશનાં નગરોમાં, દક્ષિણ યહૂદિયાના નેગેબ પ્રદેશમાં, બિન્યામિન કુળના પ્રદેશમાં, યરુશાલેમની આસપાસનાં ગામોમાં અને યહૂદિયાનાં નગરોમાં ઘેટાંપાલકો હાથમાં લાકડી રાખીને ફરીથી પોતાનાં ઘેટાંની ગણતરી કરશે. હું પ્રભુ આ બોલું છું.” પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયાનાં લોકોને આપેલું મારું ઉમદા વચન પૂર્ણ કરીશ. તે દિવસોમાં હું દાવિદવંશના નેક અંકુરને ઉગાડીશ; તે રાજા સમગ્ર દેશમાં નેકી અને ન્યાયથી રાજ કરશે.” તે સમયે યહૂદિયા અને યરુશાલેમના લોકોનો ઉદ્ધાર થશે અને તેઓ સલામતી ભોગવશે અને તે રાજા ‘યાહવે-સિદકેનું’ (પ્રભુ અમારા ઉદ્ધારક) એ નામે ઓળખાશે. કારણ, પ્રભુ આ પ્રમાણે કહે છે, “દાવિદના વંશમાં ઇઝરાયલના રાજ્યાસન પર બિરાજનાર ઉત્તરાધિકારીની ખોટ પડશે નહિ. એ જ પ્રમાણે મારી સેવામાં દહનબલિ, ધાન્યઅર્પણ અને રોજિંદાં બલિદાનો ચડાવનાર લેવીકુળના ઉત્તરાધિકારી યજ્ઞકારોની કદી ખોટ પડશે નહિ.” પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો. પ્રભુ આ પ્રમાણે કહે છે, “જો દિવસ અને રાત સાથેનો મારો કરાર તૂટે એટલે કે દિવસ અને રાત તેમના નિયત કરેલા સમયે ન થાય *** તો જ દાવિદના રાજ્યાસન પર રાજ કરનાર કોઈ વંશજ ન હોવાથી દાવિદની સાથેનો મારો કરાર તૂટે અને લેવીવંશ મારી સર્વદા સેવા કરશે તે અંગેનો મારો કરાર તૂટે. આકાશના અસંખ્ય તારાઓની જેમ અને સમુદ્રતટની રેતીના અસંખ્ય કણની જેમ હું મારા સેવક દાવિદના વંશજો અને મારી સેવા કરનાર લેવીઓની સંખ્યા વધારીશ.” પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો, “લોકો જે કહે છે તે તેં ધ્યાનમાં લીધું? તેઓ કહે છે, ‘પ્રભુએ પોતે પસંદ કરેલાં બે કુળ-રાજ્યો, એટલે યહૂદિયા અને ઇઝરાયલનો ત્યાગ કર્યો છે.’ તો શું તેઓ મારી પ્રજાનો તિરસ્કાર કરે છે અને તેને પ્રજા તરીકે પણ ગણતા નથી? *** પણ હું પ્રભુ આ પ્રમાણે કહું છું: જો દિવસ અને રાત સાથેનો મારો કરાર ટકે નહિ અને જો મેં આકાશ તથા પૃથ્વીના અચળ નિયમો ઠરાવ્યા ન હોય, તો જ હું યાકોબના વંશજોનો અને મારા સેવક દાવિદના વંશજોનો ત્યાગ કરીશ અને અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના વંશજો માટે દાવિદના વંશમાંથી ઉત્તરાધિકારી પસંદ નહિ કરું. ના, ના, હું તો મારા લોક પર દયા રાખીશ અને તેમને ફરીથી આબાદ કરીશ. જ્યારે બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર અને તેનું સમગ્ર લશ્કર અને તેના તાબાના બધા દેશોના અને પ્રજાઓના સૈનિકો યરુશાલેમ અને તેની આસપાસનાં નગરો પર આક્રમણ કરી રહ્યાં હતાં ત્યારે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો, “હું ઇઝરાયલનો ઈશ્વર તને આ આજ્ઞા આપું છું: જા, અને યહૂદિયાના રાજા સિદકિયાને જઈને કહે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: હું આ નગરને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દઈશ; તે તેને જીતી લેશે અને પછી આગ ચાંપીને બાળી નાખશે. તું જાતે તેના સકંજામાંથી છટકી જઈ શકશે નહિ, પણ તને પકડીને તેના હાથમાં સોંપી દેવામાં આવશે. તું તેને નજરોનજર જોઈશ અને તેની સાથે રૂબરૂમાં વાત કરીશ, અને તને બેબિલોન લઈ જવામાં આવશે.” હે યહૂદિયાના રાજા સિદકિયા, પ્રભુ તને આ પ્રમાણે કહે છે: “જો તું આધીન થઈશ તો યુદ્ધમાં માર્યો જઈશ નહિ, પણ તું શાંતિમાં મૃત્યુ પામશે. તારી પહેલાં થઈ ગયેલા રાજાઓ એટલે તારા પૂર્વજોની અંતિમવિધિ સમયે લોકોએ ધૂપ બાળ્યો હતો તે જ પ્રમાણે તેઓ તારા મૃત્યુ પ્રસંગે પણ ધૂપ બાળશે અને શોકગીત ગાશે, ‘હાય રે હાય, અમારા રાજા’. સાચે જ એ તને મારું વચન છે. હું પ્રભુ પોતે કહું છું.” તેથી યર્મિયાએ આ સંદેશ યરુશાલેમમાં સિદકિયા રાજાને આપ્યો. તે સમયે બેબિલોનના રાજાના લશ્કરે યરુશાલેમને ઘેરો ઘાલ્યો હતો. યહૂદિયાનાં કિલ્લેબંધ નગરોમાંના બાકી રહેલાં લાખીશ અને અઝેકા નગરો પર તેનું લશ્કર આક્રમણ કરી રહ્યું હતું. કારણ, એ બે જ કિલ્લેબંધીવાળાં નગરો હજી જીતવાનાં બાકી હતાં. સિદકિયા રાજાએ યરુશાલેમના સર્વ લોકો સાથે ગુલામોની મુક્તિની જાહેરાત કરવાનો કરાર કર્યો હતો. એ કરાર પ્રમાણે દરેક હિબ્રૂ સ્ત્રી કે પુરુષે ગુલામોને મુક્તિ આપવાની હતી; જેથી કોઈ હિબ્રૂ બીજા હિબ્રૂને ગુલામીના બંધનમાં રાખે નહિ. સર્વ લોકોએ અને તેમના આગેવાનોએ પોતાના પુરુષ અને સ્ત્રી ગુલામોને મુક્ત કરવાનો અને તેમને બંધનમાં નહિ રાખવાનો કરાર કર્યો હતો. તેમણે તેમને એ રીતે મુક્ત પણ કર્યા. પરંતુ પાછળથી તેમણે વિચાર બદલ્યો અને મુક્ત કરેલા યહૂદી સ્ત્રી અને પુરુષ ગુલામોને પાછા બોલાવી લઈને તેમને બળજબરીપૂર્વક ફરીથી ગુલામ બનાવ્યા. એ બનાવ પછી યર્મિયાને પ્રભુ તરફથી સંદેશ મળ્યો, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે કે તમારા પૂર્વજોને મેં ઇજિપ્તની ગુલામીના બંધનમાંથી મુક્ત કર્યા ત્યારે મેં પણ તેમની સાથે કરાર કર્યો હતો. *** મેં કહ્યું હતું કે, ‘તારો જે હિબ્રૂભાઈ પોતાની જાતે તને ગુલામ તરીકે વેચાયો હોય અને જેણે તારી છ વરસ સેવા કરી હોય એવા દરેકને તમારે સાતમા વર્ષે મુક્ત કરી દેવો.’ પણ તમારા પૂર્વજોએ મારું સાંભળ્યું નહિ કે તે પ્રત્યે લક્ષ આપ્યું નહિ. થોડા દિવસ પહેલાં તમે પશ્ર્વાતાપ કર્યો હતો અને તમારા જાતભાઈને ગુલામીમાંથી મુક્ત કરવાનું મને પ્રસન્‍ન કરે એવું કાર્ય કર્યું હતું અને મારે નામે ઓળખાતા મંદિરમાં મારી સમક્ષ કરાર પણ કર્યો હતો. પણ ત્યાર પછી તમે ફરી ગયા અને દરેકે રાજીખુશીથી મુક્ત કરેલા ગુલામોને પાછા બોલાવી લીધા અને બળજબરીપૂર્વક ફરીથી પોતાના ગુલામ બનાવીને મારું અપમાન કર્યું છે.” તેથી પ્રભુ તમને આ પ્રમાણે કહે છે: “તમે મને આધીન થયા નથી અને તમારી જાતના ગુલામ ભાઈબહેનોને તથા અન્ય ગુલામોને ગુલામીમાંથી સ્વતંત્રતા આપી નથી તો હું પણ તમને યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી મરવા માટે સ્વતંત્રતા આપું છું! હું તમારી એવી દશા કરીશ કે તમને જોઈને પૃથ્વીના બધા દેશોમાં હાહાકાર મચી જશે. યહૂદિયા અને યરુશાલેમના આગેવાનો, રાજમહેલના અધિકારીઓ, યજ્ઞકારો અને જમીનદાર વર્ગના સર્વ લોકોએ વાછરડાને કાપીને તેના બે ભાગ વચ્ચેથી પસાર થઈને મારી સાથે કરાર કર્યો હતો, પણ તેમણે મારો કરાર ઉથાપ્યો છે અને મારી સંમુખ કરેલા કરારની શરતોનું પાલન કર્યું નથી. તેથી હું પણ તેમની દશા કાપેલા વાછરડા જેવી કરીશ. *** હું તેમને તેમનો સંહાર કરવા માગતા તેમના શત્રુઓના હાથમાં સોંપી દઈશ. તેમનાં શબ ગીધડાં અને વનનાં હિંસક પશુઓનો આહાર થશે. બેબિલોનના રાજાના લશ્કરે અત્યારે તો ઘેરો ઉઠાવી લીધો છે પણ પછી તે આક્રમણ કરશે. ત્યારે હું યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના અધિકારીઓને તેમની હત્યા કરવા ટાંપી રહેલા દુશ્મનોના અને તેના લશ્કરના હાથમાં સોંપી દઈશ. જુઓ, હું તેમને આજ્ઞા કરીને આ નગર પર આક્રમણ કરવા પાછા લાવીશ. તેઓ તેના પર હુમલો કરશે, અને નગરને જીતી લઈને બાળી નાખશે. યહૂદિયાનાં નગરોને હું વેરાન અને નિર્જન બનાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.” યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળ દરમ્યાન યર્મિયાને પ્રભુ તરફથી સંદેશ મળ્યો: “તું રેખાબી ગોત્રના લોકો પાસે જઈને તેમને પ્રભુના મંદિરના એક ઓરડામાં બોલાવી લાવ અને તેમને દ્રાક્ષાસવ પીવા આપ” તેથી હું હબાસીન્યાના પૌત્ર અને યર્મિયાના પુત્ર યાઝાન્યાને, તેના ભાઈઓને અને તેના બધા પુત્રોને અને રેખાબી ગોત્રના તમામ લોકોને પ્રભુના મંદિરમાં લાવ્યો. ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં તેમને એકત્ર કર્યા. આ ઓરડો અધિકારીઓના ઓરડા પાસે અને દ્વારપાલ શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડા ઉપર આવેલો હતો. પછી રેખાબી ગોત્રના લોકો સમક્ષ મેં દ્રાક્ષાસવ ભરેલા કૂજા અને પ્યાલા મૂક્યા અને મેં તેમને કહ્યું “આ દ્રાક્ષાસવ પીઓ!” પણ તેમણે જવાબ આપ્યો, “અમે દ્રાક્ષાસવ લઈશું નહિ; અમારા પૂર્વજ રેખાબના પુત્ર યોનાદાબે અમને આજ્ઞા આપી હતી કે, ‘તમારે કે તમારા વંશજોએ કદી દ્રાક્ષાસવ પીવો નહિ. વળી, તમારે ઘર બાંધવાં નહિ. ખેતી કરવી નહિ, દ્રાક્ષવાડીઓ રોપવી નહિ કે ખરીદવી નહિ, અને હમેશાં તંબૂઓમાં જ વસવાટ કરવો; જેથી આ ભૂમિ પર પ્રવાસી તરીકે દીર્ઘકાળ વસી તમે આબાદ થાઓ.’ અમે અમારા પૂર્વજ યોનાદાબની બધી સૂચનાઓનું ચુસ્ત રીતે પાલન કર્યું છે. અમે કે અમારી પત્નીઓએ કે અમારા પુત્રપુત્રીઓએ જીવનમાં ક્યારેય દ્રાક્ષાસવ પીધો નથી. અમે રહેવા માટે ઘર બાંધ્યાં નથી, પણ તંબૂઓમાં જ વાસ કરતા આવ્યા છીએ. અમે કોઈ દ્રાક્ષવાડી કે અનાજનાં ખેતર ધરાવતા નથી. અમારા પૂર્વજ યોનાદાબે આપેલી આજ્ઞાઓ સંપૂર્ણપણે પાળતા આવ્યા છીએ. *** પરંતુ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે દેશ પર આક્રમણ કર્યું ત્યારે બેબિલોન અને અરામના લશ્કરોથી બચવા પૂરતું અમે યરુશાલેમમાં આશ્રય લેવાનું નક્કી કર્યું હતું. અને એટલા માટે જ અત્યારે અમે યરુશાલેમમાં રહીએ છીએ.” તે પછી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો, “ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે. યહૂદિયાના લોકો અને યરુશાલેમના રહેવાસીઓ પાસે જઈને તેમને કહે કે પ્રભુ આમ કહે છે: આ જોઈને તમે મારો સંદેશો માનવાની શિખામણ નહિ સ્વીકારો? *** રેખાબના પુત્ર યોનાદાબના વંશજોએ કદી દ્રાક્ષાસવ નહિ પીવાની તેની આજ્ઞાનું ખંતથી પાલન કર્યું છે. તેમના પૂર્વજની આજ્ઞાને આધીન થઈને તેમણે આજ સુધી દ્રાક્ષાસવ પીધો નથી. પરંતુ હું તો તમને વારંવાર આગ્રહથી સંદેશા પાઠવતો રહ્યો છું, છતાં તમે મારી વાણી સાંભળી જ નથી. મેં મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને વારંવાર આગ્રહથી કહેવડાવ્યું છે કે, તમારાં દુષ્ટ આચરણ તજો અને તમારાં કાર્યો સુધારો. અન્ય દેવોને અનુસરી તેમની પૂજા ન કરો; જેથી મેં તમને તથા તમારા પૂર્વજોને આપેલ દેશમાં તમે વસી શકશો, પણ તમે ધ્યાન આપ્યું નહિ, અને મારી વાણી સાંભળી નહિ. રેખાબના પુત્ર યોનાદાબે તેના વંશજોને આપેલી આજ્ઞાનું તેમણે પાલન કર્યું છે, પણ આ લોકોએ મારી વાણી સાંભળી નથી. તેથી હવે હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ કહું છું કે હું યહૂદિયા અને યરુશાલેમના બધા લોકો પર મારી ચેતવણી અનુસાર બધી આફતો લાવીશ; કારણ, મેં તેમને કહ્યા કર્યું પણ તેમણે સાંભળ્યું નથી અને મેં તેમને બોલાવ્યા ત્યારે તેમણે ઉત્તર આપ્યો નથી.” પછી યર્મિયાએ રેખાબી ગોત્રના લોકોને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: તમે તમારા પૂર્વજ યોનાદાબે આપેલી આજ્ઞાનું પાલન કર્યું છે અને તેની સર્વ સૂચનાઓ પ્રમાણે વર્ત્યા છો અને તેણે ફરમાવ્યું તે સંપૂર્ણપણે પાળ્યું છે, તેથી હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ વચન આપું છું કે રેખાબના પુત્ર યોનાદાબના વંશમાં મારી સેવા કરનાર વંશજની કદી ખોટ પડશે નહિ.” યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળના ચોથે વર્ષે યર્મિયાને પ્રભુનો સંદેશ મળ્યો. તેમણે કહ્યું “એક ચર્મપત્રનો વીંટો લે અને તેમાં ઇઝરાયલ, યહૂદિયા અને બીજી બધી પ્રજાઓ વિષે યોશિયાના સમયથી અત્યાર સુધી મેં તને જે જે કહ્યું તે બધું તેમાં લખ. કદાચ યહૂદાના વંશજો હું તેમના પર જે વિપત્તિ લાવવા ધારું છું તે વિષે સાંભળીને તેઓ પોતે પોતાનાં દુરાચરણ તજે અને હું તેમના અપરાધો અને પાપોની ક્ષમા આપું.” તેથી યર્મિયાએ નેરિયાના પુત્ર બારૂખને બોલાવ્યો અને બારૂખે યર્મિયાને પ્રભુ તરફથી મળેલા સર્વ સંદેશાઓ યર્મિયાના લખાવ્યા પ્રમાણે તે વીંટામાં લખી લીધા. પછી યર્મિયાએ બારૂખને આવી સૂચના આપી, “મારા પર પ્રતિબંધ છે તેથી હું પ્રભુના મંદિરમાં જઈ શકું તેમ નથી; માટે તું મંદિરમાં જઈને મેં તને વીંટામાં લખાવેલા પ્રભુના સંદેશાઓ પ્રભુના મંદિરમાં ઉપવાસને દિવસે લોકોની આગળ અને યહૂદિયાનાં જુદાં જુદાં નગરોમાંથી આવનાર લોકોની આગળ વાંચી સંભળાવ. કદાચ તેઓ પ્રભુને વિનંતી કરે અને પોતે પોતાનાં દુષ્ટ આચરણ તજે; કારણ, પ્રભુએ ઉચ્ચારેલ કોપ અને ક્રોધ બહુ મોટો છે. *** યહૂદિયાના રાજા અને યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યકાળના પાંચમા વર્ષના નવમા મહિનામાં પ્રભુની દયા પ્રાપ્ત કરવા યરુશાલેમના રહેવાસીઓ અને યહૂદિયાના નગરોમાંથી યરુશાલેમ આવેલા બધા લોકોએ ઉપવાસ કરવાનું ફરમાવ્યું હતું. બારૂખે તેમની આગળ પ્રભુના મંદિરમાં યર્મિયાના સંદેશાઓ વીંટામાંથી વાંચી સંભળાવ્યા. રાજમંત્રી શાફાનના પુત્ર ગમાર્યાના ઓરડામાં લોકોના સાંભળતા તેણે એ વાંચન કર્યું. આ ઓરડો મંદિરના નવા દરવાજા પાસે ઉપરના ચોકમાં આવેલો હતો. જ્યારે શાફાનના પૌત્ર અને ગમાર્યાના પુત્ર મીખાયાએ બારૂખે વાંચેલા પ્રભુના સંદેશાઓ સાંભળ્યા, ત્યારે તે રાજમહેલમાં રાજમંત્રીની કચેરીમાં પહોંચી ગયો. ત્યાં બધા મંત્રીઓ એટલે કે રાજમંત્રી એલીશામા, શમાયાનો પુત્ર દલાયા, આખ્બોરનો પુત્ર એલ્નાથાન શાફાનનો પુત્ર ગમાર્યા, હનાન્યાનો પુત્ર સિદકિયા અને બીજા કેટલાક મંત્રીઓ એકત્ર થયા હતા. મીખાયાએ એ બધાને બારૂખે લોકોના સાંભળતાં વાંચેલા પ્રભુના સંદેશાઓ કહી સંભળાવ્યા. પછી મંત્રીઓએ યેહૂદીને (જે નથાન્યાનો પુત્ર, શેલેમ્યાનો પૌત્ર અને કૂશીનો પ્રયૌત્ર હતો) બારૂખ પાસે મોકલીને કહેવડાવ્યું. “જે ચર્મપત્રોના વીંટામાંથી તેં લોકોને વાંચી સંભળાવ્યું તે લઈને અહીં આવ” તેથી નેરિયાનો પુત્ર બારૂખ વીંટો લઈને તેમની પાસે ગયો. તેમણે તેને કહ્યું “આવ, બેસ, અમને પણ વાંચી સંભળાવ.” તેથી બારૂખે તેમને વાંચી સંભળાવ્યું. તે સાંભળીને તેમણે ભયથી એકબીજા તરફ જોયું અને બારૂખને કહ્યું, “અમારે રાજાને આ વિષે જાણ કરવી જ પડશે.” પછી તેમણે બારૂખને પૂછયું, “મહેરબાની કરી અમને કહે કે તેં આ બધા સંદેશાઓ કેવી રીતે લખ્યા? શું યર્મિયાએ તને આ બધું લખાવ્યું?” બારૂખે જવાબ આપ્યો, “યર્મિયાએ જાતે જ આ બધા સંદેશાઓ મને લખાવ્યા છે અને મેં તો માત્ર તેમને શાહીથી વીંટામાં લખી લીધા એટલું જ.” પછી મંત્રીઓએ બારૂખને કહ્યું, “તું અને યર્મિયા સંતાઈ જાઓ. તમે ક્યાં છો તેની કોઈને ખબર પડવા દેશો નહિ.” મંત્રીઓએ ચર્મપત્રોનો વીંટો રાજમંત્રી એલિશામાના ખંડમાં જમા કરાવ્યો અને પછી તેઓ રાજદરબારમાં રાજા પાસે ગયા અને રાજાને એ બધા સંદેશા વિષેની વાત કહી. રાજાએ યેહૂદીને તે વીંટો લઈ આવવા મોકલ્યો અને તે એલિશામાના ખંડમાંથી તે લઈ આવ્યો અને યેહૂદીએ રાજા અને તેની આસપાસ ઊભા રહેલા મંત્રીઓ સમક્ષ તે વાંચી સંભળાવ્યો. આ તો વર્ષનો નવમો માસ હોવાથી શિયાળાનો સમય હતો અને રાજા પોતાના શિયાળાના મહેલમાં સળગતી સગડી પાસે બેઠેલો હતો. યેહૂદી ત્રણ કે ચાર પૃષ્ઠ વાંચતો કે રાજા તરત જ તે વાંચેલો ભાગ ચપ્પુથી કાપીને સગડીના અગ્નિમાં ફેંક્તો એમ આખો વીંટો સગડીના અગ્નિમાં બાળી નાખવામાં આવ્યો. આ બધા સંદેશાઓ સાંભળ્યા પછી પણ રાજા કે તેના મંત્રીઓ એનાથી ભયભીત થયા નહિ કે પોતાનાં વસ્ત્ર ફાડીને શોક દર્શાવ્યો નહિ. જો કે એલ્નાથાન, દલાયા અને ગમાર્યાએ રાજાને તે વીંટો ન બાળવા આજીજી કરી હતી, પણ તેણે તેમનું સાંભળ્યું જ નહિ. એને બદલે, રાજાએ રાજકુમાર યરાહમએલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દએલના પુત્ર શેલેમ્યાને લહિયા બારૂખની અને સંદેશવાહક યર્મિયાની ધરપકડ કરવાનો હુકમ કર્યો; પરંતુ પ્રભુએ તેમને સંતાડી રાખ્યા. યર્મિયાએ લખાવ્યા પ્રમાણે બારૂખે લખેલા સંદેશાઓનો વીંટો રાજાએ બાળી નાખ્યો તે પછી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો. બીજો વીંટો લે અને યહોયાકીમ રાજાએ બાળી નાખેલા પ્રથમ વીંટામાં જે લખેલું હતું તે બધું જ તેના પર લખાવ: યહૂદિયાના રાજા યહોયાકીમને આ પ્રમાણે કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે કે બેબિલોનનો રાજા આવીને આ દેશનો વિનાશ કરશે અને લોકોનો તથા પ્રાણીઓનો સંહાર કરશે એવું શા માટે લખ્યું છે એમ કહીને યહૂદિયાના રાજા યહોયાકીમે જાતે જ વીંટો બાળી નાખવાની હિંમત કરી છે. તેથી તેને વિષે હું પ્રભુ પોતે કહું છું કે, દાવિદની રાજગાદી પર તેનો કોઈ વંશજ રાજ કરશે નહિ. તેનું શબ દિવસે ગરમીમાં અને રાત્રે ઠંડીમાં બહાર ફેંક્યેલું પડી રહેશે. હું રાજાને તથા તેના વંશજોને અને મંત્રીઓને તેમના અપરાધો માટે સજા કરીશ; કારણ, જે બધી વિપત્તિ તેમના પર લાવવાની મેં તેમને ચેતવણી આપી હતી તેની અવગણના કરીને તેમણે તે વિપત્તિઓ પોતાના પર, યરુશાલેમના રહેવાસીઓ પર અને યહૂદિયાના લોકો પર તેમણે વહોરી લીધી છે. પછી યર્મિયાએ ચર્મપત્રનો બીજો વીંટો લીધો અને લહિયા બારૂખને આપ્યો. યહોયાકીમ રાજાએ બાળી નાખેલા વીંટામાં હતા તે બધા સંદેશાઓ તેણે યર્મિયાના લખાવ્યા પ્રમાણે તેમાં લખ્યા. વળી, એ પ્રકારના બીજા સંદેશાઓ પણ તેમાં ઉમેરવામાં આવ્યા. બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહોયાકીમના પુત્ર કોન્યાને બદલે યોશિયાના પુત્ર સિદકિયાને રાજા બનાવ્યો અને તેણે યહૂદિયા પર રાજ કર્યું. પણ તે અને તેના અધિકારીઓ અને જમીનદાર વર્ગના લોકો યર્મિયા મારફતે પ્રભુએ પાઠવેલા સંદેશાઓને આધીન થયા નહિ. સિદકિયા રાજાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માઅસેયાના પુત્ર યજ્ઞકાર સફાન્યાને સંદેશવાહક યર્મિયા પાસે મોકલીને વિનંતી કરી, “તું આપણા ઈશ્વર પ્રભુને અમારે માટે પ્રાર્થના કર.” હજુ યર્મિયાને જેલમાં પૂરવામાં આવ્યો ન હતો અને તેથી તે લોકો મધ્યે અવરજવર કરી શક્તો હતો. તે વખતે ખાલદીઓનું લશ્કર યરુશાલેમ નગરની આસપાસ ઘેરો ઘાલીને પડયું હતું; પણ જેવી તેમને જાણ થઈ કે ઇજિપ્તના રાજા ફેરોનું લશ્કર ઇજિપ્તની સરહદ વટાવી આ તરફ આવી રહ્યું છે કે તરત જ તેમણે ઘેરો ઉઠાવી લીધો. ત્યારે સંદેશવાહક યર્મિયાને પ્રભુનો આવો સંદેશ મળ્યો; તેમણે કહ્યું: “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે કે યહૂદિયાના રાજા સિદકિયાએ મને પૂછપરછ કરવા તારી પાસે માણસો મોકલ્યા છે; તો એમને મારે આ પ્રમાણે કહેવાનું છે: ઇજિપ્તનું લશ્કર તમને મદદે આવવા નીકળી ચૂકયું છે, પણ તે ઇજિપ્ત પાછું જશે. *** પછી બેબિલોનનું લશ્કર પાછું આવશે અને નગર પર આક્રમણ કરશે, તેને જીતી લેશે અને તેને આગ ચાંપશે.” વળી, પ્રભુ આ પ્રમાણે કહે છે, “ખાલદીઓનું લશ્કર કાયમને માટે જતું રહ્યું છે એમ માનીને છેતરાશો નહિ; કારણ, તે જરૂર પાછું આવશે. તમે કદાચ ખાલદીઓના સમગ્ર લશ્કરનો એવો ભારે પરાજય કરો કે જેથી તંબૂઓમાં માત્ર ઘવાયેલા માણસો જ બાકી રહે, તોપણ તેઓ ઊઠીને આ નગરને બાળી મૂકશે!” ઇજિપ્તનું લશ્કર આવી રહ્યું હતું તેથી બેબિલોનના લશ્કરે યરુશાલેમ પરનો ઘેરો ઉઠાવી લીધો, ત્યારે યર્મિયા યરુશાલેમથી બિન્યામીનના કુળપ્રદેશમાં તેનાં કુટુંબીજનો પાસે મિલક્તમાં પોતાનો ભાગ લેવા માટે ઊપડયો. પણ જ્યારે તે બિન્યામીનના દરવાજે પહોંચ્યો ત્યારે હનાન્યાનો પૌત્ર અને શેલેમ્યાનો પુત્ર ઇરિયા જે ચોકીદારોનો ઉપરી હતો તેણે યર્મિયાને અટકાવ્યો અને આક્ષેપ કર્યો “તું ખાલદીઓના પક્ષમાં ભળી જવા જાય છે.” યર્મિયાએ જવાબ આપ્યો, “એ તદ્દન જૂઠું છે! હું ખાલદીઓના પક્ષમાં ભળી જવા માટે જતો નથી.” પણ ઇરિયાએ યર્મિયાની વાત સાંભળી જ નહિ, અને તેની ધરપકડ કરીને તે તેને અધિકારીઓ પાસે લઈ ગયો. તેઓ યર્મિયા પર ક્રોધે ભરાયા અને તેને ફટકા મરાવ્યા. પછી તેમણે તેને રાજ્યમંત્રી યોનાથાનના ઘરમાં કેદી તરીકે પૂરી દીધો; કારણ, તે ઘરને કેદખાનામાં ફેરવી નાખ્યું હતું. યર્મિયાને તે મકાનના ભોંયરાના એક પોલાણમાં પૂરવામાં આવ્યો અને ત્યાં તે લાંબો સમય રહ્યો. ત્યાર પછી સિદકિયા રાજાએ માણસ મોકલીને યર્મિયાને બોલાવડાવ્યો અને રાજમહેલની અંદર તેને ખાનગીમાં પૂછયું, “શું પ્રભુ તરફથી કોઈ સંદેશ છે?” યર્મિયાએ ઉત્તર આપ્યો. “હા, તને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે.” પછી યર્મિયાએ સિદકિયા રાજાને પૂછયું, “તારી કે તારા અધિકારીઓની કે આ લોકોની વિરુદ્ધ મેં શો ગુનો કર્યો છે કે તમે બધાએ મને કેદમાં નાખ્યો છે? બેબિલોનનો રાજા તારા પર કે આ દેશ પર આક્રમણ કરશે નહિ એવો સંદેશ પ્રગટ કરનારા તમારા બધા સંદેશવાહકો ક્યાં છે? હે રાજા, મારા સ્વામી, હું તને વિનંતી કરું છું કે મને ફરીથી રાજમંત્રી યોનાથાનના ઘરના કેદખાનામાં પૂરશો નહિ, નહિ તો હું ત્યાં મૃત્યુ પામીશ” તેથી સિદકિયાએ તે મુજબ હુકમ આપ્યો અને તેમણે યર્મિયાને ચોકીદારોના ચોકમાં રાખ્યો. જ્યાં સુધી નગરમાં આહાર ઉપલબ્ધ હતો, ત્યાં સુધી ભઠિયારાઓની શેરીમાંથી તેને દરરોજ થોડો થોડો ખોરાક આપવામાં આવતો. આમ, યર્મિયા ચોકીદારોના ચોકમાં રહ્યો. યર્મિયા સર્વ લોકોની આગળ સંદેશાઓ પ્રગટ કરતો હતો. તે કહેતો, “પ્રભુ આ પ્રમાણે કહે છે: જે કોઈ આ નગરમાં રહેશે તે યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી માર્યો જશે, પણ જે કોઈ ખાલદીઓને તાબે થશે તે જીવતો રહેશે; પોતાનો જીવ બચે એ જ યુદ્ધમાં લૂંટ મળ્યા બરાબર ગણાશે. કારણ, પ્રભુ આમ કહે છે કે આ નગર બેબિલોનના રાજાના લશ્કરના હાથમાં સોંપી દેવાશે અને તે તેને જીતી લેશે.” આ સંદેશા માત્તાનના પુત્ર શફાટયાએ, પાશહૂરના પુત્ર ગદાલ્યાએ, શેલેમ્યાના પુત્ર યુકાલે તથા માલ્ખીયાના પુત્ર પાશહૂરે સાંભળ્યો. *** *** પછી એ અધિકારીઓએ રાજા પાસે જઈને કહ્યું, “આ માણસને ખતમ કરો. આવા સંદેશા આપીને તે આપણા સૈનિકોને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત કરી દે છે. કારણ, આ માણસ લોકોનું કલ્યાણ નહિ, પણ તેમનું નુક્સાન ઇચ્છે છે.” ત્યારે સિદકિયા રાજાએ જવાબ આપ્યો, “ભલે, તે તમારા હાથમાં છે, હું તમારી સલાહ વિરુદ્ધ કશું કરી શકું નહિ” તેથી તેઓએ યર્મિયાને પકડી લીધો અને તેને ચોકીદારોના ચોકમાં રાજકુમાર માલ્ખીયાના તાબા હેઠળના ટાંકામાં દોરડાં વડે ઉતારીને અંદર નાખી દીધો. ટાંકામાં પાણી નહોતું; ફક્ત ક્દવ હતો અને તેથી યર્મિયા ક્દવમાં ખૂંપી ગયો. હવે રાજમહેલમાં કામ કરતા એબેદ-મેલેખ નામના કૂશી અધિકારીએ સાંભળ્યું કે યર્મિયાને ટાંકામાં નાખી દેવામાં આવ્યો છે. તેથી રાજા જ્યારે બિન્યામીન દરવાજા પાસે રાજદરબારમાં બેઠો હતો, ત્યારે એબેદ-મેલેખે મહેલમાંથી ત્યાં જઈને રાજાને કહ્યું, “હે રાજા, મારા સ્વામી, સંદેશવાહક યર્મિયાને ટાંકામાં નાખી દઈને આ લોકોએ બહુ ખોટું કર્યું છે; ત્યાં તે ભૂખે મરી જશે. કારણ, હવે નગરમાં ખોરાકેય ખૂટવા લાગ્યો છે.” ત્યારે રાજાએ એબેદ-મેલેખને હુકમ કર્યો, “તું અહીંથી ત્રીસ માણસોને તારી સાથે લઈ જા અને સંદેશવાહક યર્મિયાને તે મરી જાય તે પહેલાં ટાંકામાંથી બહાર કાઢ.” તેથી એબેદ-મેલેખ તે માણસોને લઈને રાજમહેલના ભંડારમાં ગયો અને ત્યાંથી ફાટેલાં તૂટેલાં જૂનાં લૂગડાં લઈને તેમને દોરડા વડે ટાંકામાં યર્મિયા પાસે ઉતાર્યાં. પછી એબેદ-મેલેખે યર્મિયાને કહ્યું, “યર્મિયા આ ચીંથરાં તારી બગલ નીચે મૂક, જેથી તને દોરડું ખૂંચે નહિ” યર્મિયાએ એ પ્રમાણે કર્યું. પછી તેમણે યર્મિયાને દોરડા વડે ટાંકામાંથી બહાર ખેંચી કાઢયો. ત્યાર પછી યર્મિયા ચોકીદારોના ચોકમાં જ રહ્યો. સિદકિયા રાજાએ માણસ મોકલીને સંદેશવાહક યર્મિયાને પ્રભુમંદિરના ત્રીજા પ્રવેશદ્વાર પાસે બોલાવ્યો અને રાજાએ યર્મિયાને કહ્યું, “હું તને એક પ્રશ્ર્ન પૂછવા ચાહું છું અને તેના જવાબમાં મારાથી કંઈ છુપાવીશ નહિ.” યર્મિયાએ સિદકિયાને કહ્યું, “જો હું તને સાચી વાત કહું તો તું મને જરૂર મારી નંખાવીશ, અને જો હું તને સલાહ આપું તો તું તે માનવાનો નથી.” તેથી સિદકિયા રાજાએ ત્યાં મને ખાનગીમાં વચન આપ્યું. “આપણને જીવન બક્ષનાર જીવતા પ્રભુના સોગંદ ખાઈને કહું છું કે હું તને મારી નાખીશ નહિ; અને જેઓ તારો જીવ લેવા ઇચ્છે છે તે લોકોના હાથમાં તને સોંપી દઈશ નહિ.” ત્યારે યર્મિયાએ સિદકિયાને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: જો તું બેબિલોનના રાજાના સેનાપતિઓની શરણાગતિ સ્વીકારી લે તો તારો જીવ બચી જશે, અને આ નગર આગથી બાળી દેવાશે નહિ. તું પોતે અને તારું કુટુંબ પણ બચી જશો. પણ જો તું શરણાગતિ નહિ સ્વીકારે તો પછી આ યરુશાલેમ નગરને ખાલદીઓના લશ્કરના હાથમાં સોંપી દેવાશે. તેઓ તેને સળગાવીને ભસ્મીભૂત કરી દેશે અને તું પોતે પણ તેમના સકંજામાંથી છટકી શકશે નહિ.” પણ સિદકિયા રાજાએ યર્મિયાને કહ્યું, “જે યહૂદીઓએ ખાલદીઓની શરણાગતિ સ્વીકારી લીધી છે તેમનો મને ડર છે. કદાચ મને તેમના હાથમાં સોંપી દેવામાં આવે અને તેઓ મને રીબાવે.” યર્મિયાએ ઉત્તર આપ્યો, “તને તેમના હાથમાં સોંપી દેવામાં આવશે નહિ. હું તને જે પ્રભુનો સંદેશ જણાવું છું તે તું માનીશ તો તારું ભલું થશે, અને તારો જીવ બચી જશે. પણ જો હું શરણાગતિ નહિ સ્વીકારું તો શું થશે તે પ્રભુએ મને દર્શનમાં બતાવ્યું છે. મેં જોયું કે યહૂદિયાના રાજમહેલમાં બાકી રહેલી બધી સ્ત્રીઓને બેબિલોનના રાજાના સેનાપતિઓ પાસે લઈ જવાતી હતી. તેઓ જતાં જતાં આ પ્રમાણે કહેતી હતી; ‘રાજાના દિલોજાન મિત્રોએ તેને ખોટી દોરવણી આપી, તેમણે તેની પાસે પોતાનું ધાર્યું કરાવ્યું; અને હવે જ્યારે તેના પગ ક્દવમાં ખૂંપી ગયા, ત્યારે તેઓ તેને તજીને જતા રહ્યા છે!” વળી, મેં કહ્યું, “તારી બધી પત્નીઓ તમારાં બાળકો સહિત ખાલદીઓની પાસે લઈ જવાશે અને તું પોતે પણ તેમના સકંજામાંથી છટકી શકશે નહિ. બેબિલોનનો રાજા તને કેદી તરીકે પકડીને લઈ જશે અને આ નગરને સળગાવીને ભસ્મીભૂત કરી દેવામાં આવશે.” ત્યારે સિદકિયાએ યર્મિયાને કહ્યું, “તું કોઈને પણ આ સંદેશાની જાણ થવા દઈશ નહિ; તો જ તને મારી નાખવામાં આવશે નહિ.” જો અધિકારીઓને ખબર પડી જાય કે મેં તારી સાથે વાત કરી છે અને તેઓ તારી પાસે આવી તને પૂછે કે, ‘તેં રાજાને શું કહ્યું અને રાજાએ તને શું કહ્યું? અમારાથી એ વાત છુપાવીશ નહિ; નહિ તો અમે તને મારી નાખીશું.’ ત્યારે તારે તેમને એટલું જ કહેવું કે, ‘હું રાજાને આગ્રહથી અરજ કરતો હતો કે મને કેદી તરીકે યોનાથાનના ઘરના કેદખાનામાં મરવા મોકલશો નહિ.’ હકીક્તમાં પછી કેટલાક અધિકારીઓએ યર્મિયા પાસે આવીને તેની પૂછપરછ કરી. પણ યર્મિયાએ રાજાએ સૂચના આપ્યા પ્રમાણે જ તેમને ઉત્તર આપ્યો. ત્યારે તેમને શાંતિ થઈ; આમ એ વાત ગુપ્ત રહી. યરુશાલેમ જીતી લેવામાં આવ્યું ત્યાં સુધી યર્મિયા ચોકીદારોના ચોકમાં જ રહ્યો. યહૂદિયાના રાજા સિદકિયાના રાજ્યકાળના નવમા વર્ષના દસમા મહિને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે પોતાના સમગ્ર લશ્કર સાથે યરૂશાલેમ પર આક્રમણ કર્યું અને તેને ઘેરો ઘાલ્યો. સિદકિયા રાજાના અગિયારમા વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે નગરના કોટમાં ગાબડું પાડવામાં આવ્યું. યરુશાલેમ જીતી લેવામાં આવ્યું ત્યારે બેબિલોનના રાજાના બધા સેનાનાયકોએ નગરમાં પ્રવેશ કર્યો અને નગરના વચલા દરવાજા આગળ સભામાં બિરાજમાન થયા. તેઓમાં નેર્ગાલ-શારએસેર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રા-સારીસ, નેર્ગોલ-શારએસેર, રાબ-માગ તથા બીજા અધિકારીઓનો સમાવેશ થતો હતો. સિદકિયા રાજા અને તેના સૈનિકોએ આ બધું જોયું, અને રાત્રે શહેર છોડી નાઠા. તેમણે રાજઉદ્યાનને માર્ગે, બે કોટ વચ્ચેના પ્રવેશદ્વારની મારફતે આરાબાહ એટલે યર્દનની ખીણ તરફ નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ખાલદીઓના લશ્કરે તેમનો પીછો કર્યો અને તેમણે સિદકિયાને યરીખોના મેદાનમાં પકડી પાડયો. પછી તેઓ તેને કેદ કરીને હમાથપ્રદેશના રિબ્લાહનગરમાં બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે લાવ્યા. તેણે સિદકિયાને આ પ્રકારની સજા કરી. બેબિલોનના રાજાએ રિબ્લાહનગરમાં સિદકિયાના પુત્રોને તેની નજર આગળ મારી નંખાવ્યા. વળી, તેણે યહૂદિયાના જુદા જુદા મંત્રીઓને પણ મારી નાખ્યા. ત્યાર પછી તેણે સિદકિયાની આંખો ફોડી નાખી અને તેને સાંકળોથી બાંધીને બેબિલોન મોકલી આપ્યો. તે દરમ્યાન બેબિલોનના લશ્કરે રાજમહેલ અને લોકોનાં ઘર બાળી નાખીને ભસ્મીભૂત કર્યાં અને યરુશાલેમનો કોટ તોડી પાડયો. પછી અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને તથા તેમને શરણે આવેલા લોકોને કેદી તરીકે બેબિલોન લઈ ગયો. માત્ર જેઓ ગરીબમાં ગરીબ હતા અને જેમની પાસે કંઈ મિલક્ત નહોતી તેમને તેણે યહૂદિયામાં રહેવા દીધા અને તેમને દ્રાક્ષવાડીઓ અને ખેતરો સાચવવાં આપ્યાં. તે સમયે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાનને યર્મિયા સંબંધી આવો હુકમ આપ્યો, “યર્મિયાને લઈ આવો અને તેની સંભાળ લો, તેને કંઈ ઈજા પહોંચાડશો નહિ, પણ તેની મરજી પ્રમાણે તેને માટે વ્યવસ્થા કરો.” તેથી નબૂઝારઅદાને તથા નબૂશાઝાબાન, રાબ-સારીસ, નેર્ગાલ- શારએસેર, રાબ-માગ અને બેબિલોનના રાજાના બધા સેનાપતિઓએ માણસ મોકલીને યર્મિયાને ચોકીદારોના ચોકમાંથી મુક્ત કર્યો અને તેમણે યર્મિયાને પોતાને ઘેર સહીસલામત પહોંચાડવા શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાને યર્મિયાની સોંપણી કરી. આમ તે પોતાના લોક સાથે રહ્યો.” યર્મિયા ચોકીદારોના ચોકમાં રખાયો હતો ત્યારે તેને પ્રભુનો સંદેશ મળ્યો. તેણે કહ્યું, “જા, કૂશી એબેદ-મેલેખને કહે કે ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું મારા સંદેશા પ્રમાણે આ નગર પર આબાદી નહિ, પણ વિપત્તિ લાવીશ એ સંદેશની આગાહી તારી નજર સામે જ પરિપૂર્ણ થશે. પણ હું તે સમયે તારું રક્ષણ કરીશ અને જે માણસોની તને બીક લાગે છે તેમના હાથમાં તને સોંપવામાં આવશે નહિ. હું પ્રભુ આ બોલું છું. હું તને ઉગારી લઈશ; તું યુદ્ધમાં મૃત્યુ પામીશ નહિ, પણ જાણે યુદ્ધમાં લૂંટ મળી હોય તેમ તારો જીવ બચી જશે. કારણ, તેં મારા પર ભરોસો રાખ્યો છે. હું પ્રભુ આ બોલું છું.” યરુશાલેમ અને યહૂદિયાના લોકોને કેદી તરીકે દેશનિકાલ માટે બેબિલોન લઈ જવામાં આવતા હતા. યર્મિયા પણ તેમની જેમ સાંકળોથી બંધાયેલો હતો ત્યારે અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને યર્મિયાને રામા નગરમાં મુક્ત કર્યો, તે વખતે યર્મિયા પાસે પ્રભુનો સંદેશો આવ્યો. પછી અંગરક્ષકદળના વડાએ યર્મિયાને બોલાવડાવીને તેને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુએ આ દેશ પર વિપત્તિ લાવવાની ચેતવણી આપી હતી. પ્રભુએ તેમના સંદેશ પ્રમાણે જ કર્યું છે અને વિપત્તિ લાવ્યા છે, કારણ, તમારા લોકોએ પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું, અને તેમની વાણીને આધીન થયા નહિ માટે તમારા પર આ બધું આવી પડયું છે. હવે હું તારા હાથો પરથી સાંકળો કાઢી નાખીને તને મુક્ત કરું છું. જો તારે મારી સાથે બેબિલોન આવવું હોય તો ભલે આવ. હું તારી સંભાળ રાખીશ, પણ તને બેબિલોન આવવું પસંદ ન હોય તો ન આવીશ. આખો દેશ તારે માટે ખુલ્લો છે; જે જગ્યા તને સારી અને યોગ્ય લાગે ત્યાં જઈને રહેજે.” પણ યર્મિયાએ ઉત્તર ન આપ્યો, એટલે તેણે કહ્યું, “શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યા પાસે પાછો જા. બેબિલોનના રાજાએ તેને યહૂદિયાનો રાજ્યપાલ બનાવ્યો છે. તેની સાથે લોકો મધ્યે રહેજે; અથવા તને યોગ્ય લાગે ત્યાં રહેજે.” પછી અંગરક્ષકદળના વડાએ તેને આહાર અને બક્ષિસ આપીને વિદાય કર્યો. પછી યર્મિયા મિસ્પામાં ગદાલ્યા પાસે દેશમાં બાકી રહેલા લોકો મધ્યે રહેવા માટે ગયો. યહૂદિયાના ખુલ્લા ક્ષેત્રમાંના કેટલાક સેનાનાયકો અને સૈનિકોએ શરણાગતિ સ્વીકારી નહોતી. તેમણે સાંભળ્યું કે બેબિલોનના રાજાએ અહીકામના પુત્ર ગદાલ્યાને આ પ્રદેશનો રાજ્યપાલ નીમ્યો છે અને બેબિલોનમાં દેશનિકાલ નહિ કરાયેલાં ગરીબમાં ગરીબ માણસો, સ્ત્રીઓ અને બાળકોને તેની હકૂમતમાં સોંપ્યાં છે. તેથી નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆના પુત્રો યોહાનાન અને યોનાથાન, તાન્હુમેથનો પુત્ર સરાયા, એફાય નટોફાથીના પુત્રો અને માઅખાથીનો વતની યઝાન્યા તથા તેના માણસો ગદાલ્યા પાસે મિસ્પામાં આવ્યા. શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાએ તેમને શપથપૂર્વક કહ્યું, “ખાલદીઓની શરણાગતિ સ્વીકારતાં ગભરાશો નહિ; આ દેશમાં વસવાટ કરો અને બેબિલોનના રાજાની સેવા કરો, એટલે તમારું ભલું થશે. હું પોતે મિસ્પામાં રહીશ અને જ્યારે જ્યારે બેબિલોનીઓ આપણી પાસે આવશે ત્યારે હું તેમની સમક્ષ તમારું પ્રતિનિધિત્વ કરીશ. પણ તમે દ્રાક્ષાસવ, ઉનાળામાં પાકેલાં ફળો અને ઓલિવ-તેલ એકત્ર કરી સંઘરી રાખજો અને જે નગરો તમે કબજે કર્યાં છે તેમાં વસવાટ કરજો.” તે દરમ્યાન યહૂદિયાના જે લોકો મોઆબ, આમ્મોન, અદોમ અને બીજા દેશોમાં જતા રહ્યા હતા તેમણે સાંભળ્યું કે બેબિલોનના રાજાએ થોડાએક લોકોને યહૂદિયામાં બાકી રાખ્યા છે અને શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાને તેમના રાજ્યપાલ તરીકે નીમ્યો છે. તેથી યહૂદિયાના એ લોકો જ્યાં જ્યાં વેરવિખેર થઈ ગયા હતા ત્યાંથી યહૂદિયા પાછા ફરીને મિસ્પામાં ગદાલ્યા પાસે આવ્યા, અને તેમણે વિપુલ પ્રમાણમાં દ્રાક્ષાસવ અને ઉનાળામાં પાકેલાં ફળો એકત્ર કર્યાં. ત્યાર પછી કારેઆનો પુત્ર યોહાનાન અને બીજા સેનાનાયકો જેમણે બેબિલોનની શરણાગતિ સ્વીકારી ન હતી તેઓ મિસ્પામાં ગદાલ્યા પાસે આવ્યા, અને તેને કહ્યું, “આમ્મોનના રાજા બાઅલીએ ઇશ્માએલને તારી હત્યા કરવા મોકલ્યો છે તેની તને ખબર છે?” પણ ગદાલ્યાએ તેમની વાત માની નહિ. પછી ત્યાં મિસ્પામાં યોહાનાને ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, “ઇશ્માએલને મારી નાખવા મને પરવાનગી આપ. એની કોઈને ખબર પડશે નહિ. શા માટે તે તારી હત્યા કરે? તેથી તો તારી છત્રછાયામાં એકત્ર થયેલા યહૂદિયાના લોકો વેરવિખેર થઈ જશે અને યહૂદિયાના શેષ રહેલા લોકો પણ નાશ પામશે.” પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ યોહાનાનને ઉત્તર આપ્યો, “તું એ પ્રમાણે કરીશ નહિ. ઇશ્માએલ વિષેની તારી વાત ખોટી છે.” સાતમા મહિનામાં એલિશામાનો પૌત્ર અને નાથાન્યાનો પુત્ર ઇશ્માએલ, જે રાજવંશી અને રાજાનો મુખ્ય અધિકારી હતો તે પોતાની સાથે દસ માણસોને લઇને ગદાલ્યાને મળવા મિસ્પા ગયો. ત્યાં મિસ્પામાં તેઓ બધા સાથે મળીને ભોજન કરતા હતા. તેવામાં જ ઇશ્માએલ અને તેની સાથેના દસ માણસોએ ગદાલ્યા પર હુમલો કર્યો અને તેના પર તલવારથી પ્રહાર કરીને તેને મારી નાખ્યો. આમ બેબિલોનના રાજાએ નીમેલા રાજ્યપાલ ગદાલ્યાને તેમણે મારી નાખ્યો. વળી, યહૂદિયાના જે લોકો ગદાલ્યા સાથે મિસ્પામાં હતા અને બેબિલોનના જે સૈનિકો ત્યાં ઉપસ્થિત હતા તે સૌનો ઇશ્માએલે સંહાર કર્યો. ગદાલ્યાની હત્યા પછી બીજે દિવસે હજુ કોઈને તે વિષે જાણ થઈ ન હતી તે દરમ્યાન શેખેમ, શીલો અને સમરૂનથી એંસી માણસો આવ્યા. તેમણે શોક પ્રદર્શિત કરવા પોતાની દાઢીઓ મૂંડાવી હતી. પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં અને પોતાનાં શરીરો પર જાતે ઘા કરેલા હતા. તેઓ પ્રભુના મંદિરમાં ધાન્ય અર્પણ અને ધૂપ ચડાવવા આવ્યા હતા. ત્યારે નાથાન્યાનો પુત્ર ઇશ્માએલ મિસ્પામાંથી નીકળીને રડતો રડતો તેમને સામે મળવા ગયો. તેમની પાસે પહોંચ્યો એટલે તેણે તેમને કહ્યું, “આવો, અહીકામના પુત્ર ગદાલ્યાને નામે તમારું સ્વાગત કરું છું!” પરંતુ જેવા તેઓ નગરમાં દાખલ થયા કે તરત જ નથાન્યાના પુત્ર ઇશ્માએલે અને તેના માણસોએ તેમનો સંહાર કર્યો અને તેમનાં શબ ટાંકામાં નાખી દીધાં. પરંતુ તે જૂથના દસ માણસો બચી ગયા. તેમણે ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખો! અમારી પાસે ખેતરમાં ઘઉં, જવ, ઓલિવતેલ અને મધનો વિપુલ જથ્થો સંતાડેલો છે.” તેથી તેણે તેમને જવા દીધા અને તેમના અન્ય સાથીઓની જેમ મારી નાખ્યા નહિ. ઇશ્માએલે મારી નાખેલા માણસોનાં શબ જે ટાંકામાં નાખ્યાં તે બહુ મોટું હતું. આસા રાજાએ તે ટાંકું ઇઝરાયલના રાજા બાઅશાથી સંરક્ષણ મેળવવા બંધાવ્યું હતું. ઇશ્માએલે તે ટાંકું મારી નાખેલા માણસોનાં શબથી ભરી દીધું. પછી ઇશ્માએલે મિસ્પામાં બાકી રહેલા લોકોને અને અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાને ગદાલ્યાના હવાલે સોંપેલી રાજાની પુત્રીઓને કેદ કરીને એ બધાંને લઈ આમ્મોન દેશની હદ તરફ પ્રયાણ કર્યું. પરંતુ કારેઆના પુત્ર યોહાનાને તથા તેની સાથેના બીજા સેનાનાયકોએ નથાન્યાના પુત્ર ઇશ્માએલનાં અધમ કૃત્યો વિષે સાંભળ્યું, ત્યારે તેઓ પોતાના માણસો લઇને ઇશ્માએલ સામે લડાઈ કરવા ઉપડયા. તેમણે તેને ગિબઓન પાસે મોટા તળાવ નજીક પકડી પાડયો. ઇશ્માએલે મિસ્પામાંથી કેદ કરેલા લોકોએ જ્યારે યોહાનાનને અને તેની સાથેના બીજા સેનાનાયકોને જોયા ત્યારે તેઓ ખુશખુશાલ થઈ ગયા. તેઓ સર્વ ઇશ્માએલને છોડી દઈને સત્વરે કારેઆના પુત્ર યોહાનાન પાસે પહોંચી ગયા. *** પરંતુ ઇશ્માએલ પોતાના આઠ માણસો સહિત યોહાનાન પાસેથી છટકી જઈને આમ્મોન દેશની હદમાં નાસી છૂટયો. પછી યોહાનાને અને તેની સાથેના સેનાનાયકોએ બાકી રહેલા લોકોનો કબજો સંભાળી લીધો અને તેઓ તેમને ગિબઓનથી પાછા લાવ્યા. ગદાલ્યાની હત્યા કર્યા પછી જે લોકોને ઇશ્માઈલ કેદી તરીકે લઈ ગયો હતો, તેમાં પુરૂષો, સ્ત્રીઓ, બાળકો અને રાજમહેલના અધિકારીઓનો સમાવેશ થતો હતો. તેમને ખાલદીઓની બીક હતી; કારણ, બેબિલોનના રાજાએ દેશના રાજ્યપાલ તરીકે નીમેલા ગદાલ્યાનું ઇશ્માએલે ખૂન કર્યું હતું. તેથી ખાલદીઓથી નાસી છૂટવા માટે તેઓ ઇજિપ્ત જવા નીકળ્યા અને માર્ગમાં તેમણે બેથલેહેમ નજીક ગેરૂથ-કિમ્હામમાં મુકામ કર્યો. પછી કારેઆનો પુત્ર યોહાનાન, હોશાયાનો પુત્ર યઝાન્યા અને બીજા બધા સેનાનાયકો તથા નાનામોટા, તમામ લોકોએ સંદેશવાહક યર્મિયા પાસે આવીને તેને વિનંતી કરી. “અમે તને આગ્રહપૂર્વક આજીજી કરીએ છીએ કે તું તારા ઈશ્વર પ્રભુને અમારે માટે એટલે, આ સમગ્ર બચી ગયેલા શેષ સમુદાય માટે પ્રાર્થના કર. કારણ, તું જુએ છે કે ઘણામાંથી અમે થોડા જ બચ્યા છીએ. તારા ઈશ્વર પ્રભુ અમારે ક્યાં જવું અને શું કરવું તે બતાવે માટે પ્રાર્થના કર.” યર્મિયાએ ઉત્તર આપ્યો, “ભલે, હું તમારી વિનંતી પ્રમાણે તમારા ઈશ્વર પ્રભુને તમારે માટે પ્રાર્થના કરીશ અને પ્રભુ તમારે માટે જે જવાબ આપશે તે હું તમને જણાવીશ અને તેમાંથી કશું બાક્ત રાખીશ નહિ.” પછી તેમણે યર્મિયાને કહ્યું, “તારા ઈશ્વર પ્રભુ અમારે માટે તને જે કહે તે પ્રમાણે અમે સંપૂર્ણપણે પાલન ન કરીએ તો પ્રભુ પોતે અમારી વિરુદ્ધ સાચા અને વિશ્વાસુ સાક્ષી થાઓ. અમે તને અમારા ઈશ્વર પ્રભુ પાસે અમારી પ્રાર્થના રજૂ કરવા મોકલીએ છીએ. અમે તેમની વાણીને જરૂર આધીન થઈશું; પછી તે અમને સારું લાગે કે ખરાબ; કારણ, એમાં જ અમારું હિત સમાયેલું છે. અમે જરૂર અમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થઈશું.” દસ દિવસ પછી યર્મિયાને પ્રભુનો સંદેશ મળ્યો. તેથી તેણે કારેઆના પુત્ર યોહાનાનને, તેની સાથેના સેનાનાયકોને તથા નાનામોટા સર્વ લોકોને બોલાવ્યા, અને તેમને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ જેમની પાસે તમારી વિનંતી રજૂ કરવા તમે મને મોકલ્યો હતો તે આ પ્રમાણે કહે છે: જો તમે આ દેશમાં જ રહેશો તો હું તમને બાંધીશ અને તોડી પાડીશ નહિ; હું તમને રોપીશ અને ઉખેડી નાખીશ નહિ. કારણ, જે વિપત્તિ હું તમારા પર લાવ્યો તે વિષે હું દિલગીર છું. તમે બેબિલોનના રાજાથી ગભરાઓ છો, પણ તેનાથી ગભરાશો નહિ; કારણ, હું તમારી સહાય કરવા તમારી સાથે છું અને તમને તેમના સકંજામાંથી છોડાવીશ. હું તમારા પર દયા દર્શાવું છું, તેથી તે પણ તમારા પર દયા દાખવશે, અને તમને તમારા વતનમાં પાછા જવા દેશે.” પણ પ્રભુની વાણીને આધીન થવાનો ઈનકાર કરીને તમે એમ કહેશો કે, “અમે આ દેશમાં રહીશું નહિ, પણ અમે તો ઇજિપ્ત ચાલ્યા જઈશું; ત્યાં અમારે યુદ્ધનો સામનો કરવો પડશે નહિ કે યુદ્ધની ચેતવણીના રણશિંગડાનો અવાજ પણ સાંભળવો પડશે નહિ, આહારને અભાવે ભૂખમરોય વેઠવો પડશે નહિ, અમે તો ત્યાં જ વસીશું.” તો હે યહૂદિયાના શેષ રહેલા લોકો, પ્રભુનો સંદેશ સાંભળો. ઈઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “જો તમે ખરેખર ઇજિપ્ત જવાનો નિર્ધાર કર્યો હોય અને જો ત્યાં જઈને સ્થાયી થાઓ, તો તમે યુદ્ધની બીક રાખો છો, પણ તે તમારો પીછો કરશે, તમે દુકાળથી ભયભીત થાઓ છો, પણ તે તમારી પાછળ છેક ઇજિપ્ત સુધી આવશે અને તમે બધા ત્યાં ભૂખે માર્યા જશો. જેમણે ઇજિપ્ત જવાનો અને ત્યાં જ વસવાટ કરવાનો નિર્ણય કર્યો છે તે બધા યુદ્ધ, ભૂખમરો અને રોગચાળાથી માર્યા જશે. તેમના પર હું જે આફત લાવીશ તેમાંથી કોઈ બચી શકશે નહિ કે છટકી શકશે નહિ.” વળી, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “જેમ યરુશાલેમના લોકો ઉપર મેં મારો ક્રોધ અને કોપ રેડી દીધા તેમ જ જો તમે ઇજિપ્ત જશો તો ત્યાં હું તમારા પર મારો ક્રોધ રેડી દઈશ. ત્યાં તમે ધિક્કારપાત્ર, અને ત્રાસદાયક બનશો; લોકો તમને શાપ આપશે અને તમારી નિંદા કરશે અને આ સ્થાનને તમે ફરી કદી જોવા પામશો નહિ.” પછી યર્મિયાએ કહ્યું, “હે યહૂદિયાના શેષ રહેતા લોકો, પ્રભુએ તમને ઇજિપ્ત જવાની ના પાડી છે, તેથી હું તમને ચેતવણી આપું છું કે, તમે ભયાનક ભૂલ કરી રહ્યા છો. કારણ, તમે જાતે જ મને તમારા ઈશ્વર પ્રભુ પાસે પ્રાર્થના કરવા મોકલ્યો હતો, અને મને કહ્યું હતું કે, ‘તું અમારે માટે અમારા ઈશ્વર પ્રભુને પ્રાર્થના કર. અમારા ઈશ્વર પ્રભુ શું કહે છે તે અમે જાણવા માંગીએ છીએ અને અમે તે પ્રમાણે કરીશું.’ હવે મેં તમને બધું જણાવ્યું છે, છતાં તમારા ઈશ્વર પ્રભુએ મારા દ્વારા કહેવડાવ્યું છે તે તેમની વાણીને તમે આધીન થતા નથી. તેથી આટલું તો યાદ રાખજો. તમે જ્યાં જઈને વસવાટ કરવા ચાહો છો, ત્યાં તમે યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી માર્યા જશો.” જ્યારે યર્મિયાએ લોકોને તેમના ઈશ્વર પ્રભુએ તેને જે જે સંદેશાઓ પ્રગટ કરવા મોકલ્યો હતો તે સર્વ તેણે કહી બતાવ્યા, ત્યારે હોશાયાનો પુત્ર અઝાર્યા, કારેઆનો પુત્ર યોહાનાન અને બીજા ઉદ્ધત લોકોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે! અમારા ઈશ્વર પ્રભુએ અમને ઇજિપ્ત જઈને વસવાટ કરવાની મના કરવા તને મોકલ્યો નથી. આ તો નેરિયાના પુત્ર બારૂખે તને અમારી વિરુદ્ધ ઉશ્કેર્યો છે; જેથી અમે ખાલદીઓના હાથમાં આવી પડીએ, અને તેઓ અમને મારી નાખે અથવા અમને બેબિલોન દેશમાં દેશનિકાલ કરે.” તેથી કારેઆનો પુત્ર યોહાનાન, બીજા સેનાનાયકો અને બીજા લોકો યહૂદિયામાં રહેવા વિષેની પ્રભુની વાણીને આધીન થયા નહિ. એને બદલે, યોહાનાન અને બીજા સેનાનાયકોએ યહૂદિયામાં બાકી રહેલા લોકોને, એટલે કે, આસપાસના બધા દેશોમાં નાસી છૂટેલા અને યહૂદિયામાં ફરી પાછા વસવા આવેલાં બધાં સ્ત્રી, પુરુષો અને બાળકોને અને રાજકુંવરીઓને, તેમજ અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને જે બધાં લોકોને શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાને સોંપ્યાં હતા તેમને સંદેશવાહક યર્મિયા અને નેરિયાના પુત્ર બારૂખ સહિત એકત્ર કર્યાં. તેઓ પ્રભુની આજ્ઞા અવગણીને ઇજિપ્તમાં ગયાં અને ત્યાં તેઓ તાહપાન્હેસ આવી પહોંચ્યાં. પછી તાહપાન્હેસમાં યર્મિયાને પ્રભુનો સંદેશ મળ્યો, “તું તારા હાથમાં થોડા મોટા પથ્થરો લઈને યહૂદિયાના લોકોના દેખતાં આ તાહપાન્હેસ નગરમાં આવેલા ઇજિપ્તના રાજાના વિશ્રામગૃહના પ્રવેશદ્વાર પાસે ઇંટોની પગથીમાં ગારાથી જડીને ઢાંકી દે. પછી એ લોકોને કહે કે, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: જુઓ, હું મારા સેવક બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારને આ સ્થળે બોલાવી લાવીશ અને તેનું રાજ્યાસન હું અહીં સંતાડેલા પથ્થરો પર ઊભું કરીશ અને તે પર તેનો રાજવી તંબૂ ઊભો કરાશે. નબૂખાદનેસ્સાર આવીને ઇજિપ્ત દેશનો પરાજય કરશે, ત્યારે રોગચાળાથી મરવાની સજા પામેલા રોગચાળાથી માર્યા જશે; કેદ પકડાવાની સજા પામેલા દેશનિકાલ થશે અને યુદ્ધમાં મરવાની સજા પામેલાં યુદ્ધમાં માર્યા જશે. હું ઇજિપ્તના દેવોના મંદિરોને આગ લગાડીશ અને બેબિલોનનો રાજા તેમના દેવોને બાળી નાખશે અને લોકોને કેદ કરી લઈ જશે. જેમ ભરવાડ પોતાના ડગલામાંથી જૂ વીણી લઈને સાફ કરે છે તેમ બેબિલોનનો રાજા ઇજિપ્ત દેશને સફાચટ કરી નાખશે અને પછી વિજેતા બનીને પાછો ચાલ્યો જશે. તે ઇજિપ્તમાં આવેલા બેથ-શેમેશ નગરના પવિત્ર સ્તંભોને તોડી પાડશે અને ઇજિપ્તના દેવોનાં સૂર્યમંદિરોને બાળીને ભસ્મીભૂત કરશે.” ઇજિપ્તનાં નગરો મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથ્રોસ પ્રદેશમાં વસતા યહૂદિયાના બધા લોકો વિષે પ્રભુનો આવો સંદેશ યર્મિયાને મળ્યો. તેમણે કહ્યું, “હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું: યરુશાલેમ અને યહૂદિયાના બધાં નગરો પર હું જે વિપત્તિ લાગ્યો તે તમે સૌએ જાતે જોઈ છે. હજુ પણ તે નગરો ખંડેર હાલતમાં છે અને તેમાં કોઈ વસતું નથી. કારણ, મને રોષ ચડાવવા માટે તેમણે ભૂંડાં કાર્યો કર્યાં. જે દેવોને તેઓ, તમે કે તમારા પૂર્વજો ઓળખતા નહોતા તેમને અનુસરીને તમે તેમને ધૂપ ચડાવ્યો અને તેમની પૂજા કરી. જો કે તમારી મધ્યે મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને હું તમને વારંવાર આગ્રહથી કહેતો રહ્યો કે હું જેમને ધિક્કારું છું તેવાં ભૂંડાં કાર્યો કરશો નહિ. પણ તમે કોઈ આધીન થયા નહિ કે તે પ્રત્યે ધ્યાન પણ આપ્યું નહિ. તમે અન્ય દેવોને અર્પણ ચડાવવાનું ચાલુ રાખ્યું અને પોતાના દુષ્ટ આચરણનો ત્યાગ કર્યો નહિ, તેથી મેં મારો ભયાનક કોપ તમારા પર રેડી દીધો અને યહૂદિયાનાં નગરો અને યરુશાલેમની શેરીઓને બાળી નાખ્યાં અને તેઓ પાયમાલ અને ઉજ્જડ થઈ ગયાં અને આજે પણ એમ જ છે.” તેથી ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે: “તમે પોતાની જાતને માટે એવી ભયાનક હાનિ કેમ વહોરી લો છો? શા માટે તમે તમારાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને ધાવણાઓનો નાશ કરવા માંગો છો કે જેથી કોઈ કહેતાં કોઈ બચે નહિ? ઇજિપ્ત દેશ જ્યાં તમે આશ્રય માટે આવ્યા છો ત્યાં અન્ય દેવોને ધૂપ ચડાવીને અને તમે ઘડેલી મૂર્તિઓથી મને શા માટે ક્રોધિત કરો છો? શા માટે તમે તમારો વિનાશ વહોરી લો છો અને પૃથ્વીની બધી પ્રજાઓમાં તમે શાપરૂપ અને નિંદાપાત્ર થવા માંગો છો? તમારા પૂર્વજોએ, યહૂદિયાના રાજાઓએ અને તેમની રાણીઓએ, તમે અને તમારી પત્નીઓએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં કરેલાં દુષ્કૃત્યો શું તમે ભૂલી ગયા છો? હજી આજ સુધી તમે પોતાને નમ્ર કર્યા નથી કે મારા પ્રત્યે આદર દર્શાવ્યો નથી અને મેં તમારા પૂર્વજોને અને તમને આપેલી મારી આજ્ઞાઓ અને મારા વિધિઓનું પાલન કર્યું નથી. “તેથી હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ તમારી વિરુદ્ધ પડયો છું અને મેં યહૂદિયાનો વિનાશ કરવા નિર્ધાર કર્યો છે! યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે ઇજિપ્ત જઈ વસવાનો નિર્ધાર કર્યો છે તેમનો કબજો લઈને હું તેમનો નાશ કરીશ. તેઓ ઇજિપ્તમાં યુદ્ધ કે ભૂખમરાથી માર્યાં જશે; અરે, નાનામોટાં તમામ યુદ્ધ અને ભૂખમરાથી માર્યા જશે અને તેઓ ધિક્કારપાત્ર, ત્રાસરૂપ, શાપરૂપ અને નિંદાપાત્ર બનશે. જેઓ ઇજિપ્તમાં વસ્યા છે તેમને હું યરુશાલેમની માફક જ ભૂખમરાથી અને રોગચાળાથી સજા કરીશ. યહૂદિયાના બાકી રહી ગયેલા લોકોમાંથી જેઓ ઇજિપ્ત દેશમાં વસવા માટે આવ્યા છે તેમનામાંથી કોઈ નાસી છૂટશે નહિ કે બચી શકશે નહિ. તેઓ યહૂદિયાના પ્રદેશમાં પાછા જઈને વસવા માટે અતિશય ઝૂરે છે, પણ તેઓ પાછા જઈ શકશે નહિ. તેઓમાંથી જેઓ ત્યાંથી નીકળી જાય એ સિવાય બીજું કોઈ પાછું જવા પામશે નહિ.” પછી જે પુરુષો જાણતા હતા કે તેમની પત્નીઓ અન્ય દેવોને ધૂપ ચડાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી સ્ત્રીઓ તથા ઇજિપ્તના પાથ્રોસ પ્રદેશમાં વસતા સર્વ લોકોએ યર્મિયાને ઉત્તર આપ્યો: “તેં અમને હમણાં યાહવેને નામે જે સંદેશ આપ્યો છે તે અમે માનવાના નથી. એને બદલે, અમે લીધેલી માનતાઓ અમે ચુસ્તપણે પાળીશું. અમે ‘આકાશની રાણી’ નામે અમારી દેવીને ધૂપ ચડાવીશું અને તેની આગળ દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડીશું. કારણ, અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ, અમારા અધિકારીઓ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં એ જ પ્રમાણે કરતા હતા. ત્યારે તો અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં ખોરાક હતો; અમે સમૃદ્ધ હતા અને કોઈ વિપત્તિ જોઈ ન હતી. પરંતુ જ્યારથી અમે આકાશની રાણીને ધૂપ ચડાવવાનું અને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડવાનું બંધ કર્યું ત્યારથી અમારે એ બધાની અછત છે, અને અમે યુદ્ધથી અને દુકાળથી નાશ પામ્યા છીએ.” વળી, તે સ્ત્રીઓએ કહ્યું, “અમે આકાશની રાણીને બલિદાનો ચડાવવાનું અને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડવાનું ચાલુ રાખીશું. અમે કંઈ અમારા પતિઓના સહકાર વિના આકાશની રાણીના આકારની પોળી બનાવતી નથી કે તેને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડતી નથી.” પછી આ રીતે ઉત્તર આપનાર પુરુષો, સ્ત્રીઓ અને બધા લોકોને યર્મિયાએ કહ્યું, “તમે, તમારા પૂર્વજોએ, તમારા રાજાઓએ, તમારા અધિકારીઓએ અને તમામ લોકોએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં જે ધૂપ ચડાવ્યો તેની શું પ્રભુને જાણ નહોતી કે શું તે તેમના ધ્યાન બહાર હતું એવું તમે માનો છો? તમારાં દુષ્ટ આચરણ અને ભ્રષ્ટ કાર્યો પ્રભુ સહી શક્યા નહિ, તેથી તો તમારો દેશ ખંડેર, શાપિત અને નિર્જન બન્યો છે અને આજ સુધી તેમ જ છે. તમે અન્ય દેવોને ધૂપ ચડાવીને પ્રભુની વિરુદ્ધ પાપ કર્યાં અને પ્રભુની વાણીને આધીન થયા નહિ અને તેમની આજ્ઞાઓ, આદેશો અને નિયમોનું પાલન કર્યું નહિ તેથી તો અત્યારની આ આફત તમારા પર આવી પડી છે.” વળી યર્મિયાએ બધા લોકોને અને ખાસ કરીને સ્ત્રીઓને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું, “હે ઇજિપ્ત દેશમાં વસેલા યહૂદિયાના લોકો, તમે પ્રભુનો સંદેશ સાંભળો! ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: તમે અને તમારી પત્નીઓએ આકાશની રાણીની આગળ ધૂપ ચડાવવાની અને દ્રાક્ષાસવનાં પેયાર્પણ રેડવાની લીધેલી માનતાઓ અવશ્ય પૂરી કરવાનું કહ્યું છે. તમે જે માનતા તમારે મુખે ઉચ્ચારી છે તે તમારા હાથથી પૂરી પણ કરી છે. તો પછી હવે તમારી માનતાઓ પ્રમાણે વર્ત્યા કરો.” તો પણ હે ઇજિપ્તમાં વસેલા યહૂદિયાના લોકો, પ્રભુનો સંદેશ સાંભળો. પ્રભુ કહે છે: “હું મારા મહાન નામના સોગંદ લઈને કહું છું કે, ‘યાહવે ઈશ્વરના જીવના સમ’ એવું કહીને તમારામાંનો કોઈ મારા નામનો સોગંદ લેવામાં ઉપયોગ કરશે નહિ. તમે આબાદ નહિ, પણ બરબાદ થાઓ તેનું હું બરાબર ધ્યાન રાખીશ. ઇજિપ્તમાં વસેલા યહૂદિયાના બધા લોકો ખતમ થઈ જાય ત્યાં સુધી તેઓ યુદ્ધથી અને ભૂખમરાથી નાશ પામતા રહેશે. યુદ્ધથી નાસી છૂટીને ઇજિપ્તમાંથી યહૂદિયા પાછા ફરનાર થોડાક જ હશે. તે સમયે યહૂદિયાના બાકી રહેલા લોકોમાંના જેઓ ઇજિપ્તમાં વસવા આવ્યા તેઓ જાણશે કે કોનો સંદેશ સાચો છે. મારો કે તેમનો? હું પ્રભુ પોતે પૂછું છું. હું તમને આ જગ્યાએ શિક્ષા કરીશ જેથી તમે જાણો કે તમારા પર વિપત્તિ લાવવાના મારા સંદેશા અટલ છે અને એ માટે હું તમને આ નિશાની આપું છું: જેમ મેં યહૂદિયાના રાજાને તેમનો જીવ લેવા ચાહનાર તેના શત્રુ નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો તે જ પ્રમાણે ઇજિપ્તના ફેરો હોફ્રાને પણ તેનો જીવ લેવા ચાહતા તેના શત્રુઓના હાથમાં સોંપી દઈશ. હું પ્રભુ પોતે આ બોલું છું.” યહૂદિયાના રાજા અને યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યકાળના ચોથા વર્ષે યર્મિયાએ લખાવ્યા પ્રમાણે બધા સંદેશા બારૂખે વીંટામાં લખી લીધા તે પછી સંદેશવાહક યર્મિયાએ બારૂખને આ સંદેશ આપ્યો. ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તારા વિષે આ પ્રમાણે કહે છે: “હે બારૂખ, તું કહે છે, કે ‘મારી કેવી દુર્દશા થઈ છે! પ્રભુએ મારી વેદનામાં વ્યથાનો ઉમેરો કર્યો છે. હું નિસાસા નાખીને નિર્ગત થઈ ગયો છું અને મને કંઈ ચેન પડતું નથી!’ ” તેથી પ્રભુ તને આ પ્રમાણે કહે છે: “અલબત્ત, મેં જે બાંધ્યું છે તે હું તોડી પાડું છું અને મેં જે રોપ્યું છે તે ઉખેડી નાખું છું; અને સમગ્ર દેશમાં તે પ્રમાણે થશે. અને તું? આવા સમયે શું તું તારે પોતાને માટે કોઈ ખાસ આકાંક્ષા રાખે છે? કોઈ અભિલાષા રાખીશ નહિ! કારણ, હું સમગ્ર માનવજાત પર આફત લાવીશ. પણ તું જ્યાં કંઈ જઈશ ત્યાં હું તારો જીવ બચાવીશ; તારે માટે એ જ મોટી વાત છે, અને એને તું યુદ્ધમાં મળેલી લૂંટ તૂલ્ય ગણજે.” સંદેશવાહક યર્મિયાને જુદા જુદા દેશો વિષે પ્રભુના સંદેશા મળ્યા. યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળના ચોથા વર્ષે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યુફ્રેટિસ નદીને કિનારે આવેલા ર્ક્કમીશ નગર પાસે ઇજિપ્તના રાજા ફેરો નકોના લશ્કરનો યુદ્ધમાં પરાજય કર્યો તે વિશેનો સંદેશ: ઇજિપ્તના સેનાનાયકો પોકારે છે, “કવચ તથા ઢાલ તૈયાર કરો! યુદ્ધ માટે આગેકૂચ કરો! ઘોડા પર સાજસામાન લગાવો; હે ઘોડેસ્વારો, ઘોડાઓ પર સવાર થાઓ! ટોપ પહેરીને ક્તારબદ્ધ ઊભા રહો, તમારા ભાલાની ધાર તીક્ષ્ણ બનાવો; બખ્તર ધારણ કરો!” પ્રભુ કહે છે, “પણ હું આ શું જોઉં છું? તેઓ તો ભયભીત થઈને ભાગે છે! તેમના યોદ્ધાઓને મારીને પાછા હઠાવવામાં આવ્યા છે. તેઓ બીકના માર્યા નાસે છે અને પાછું વળીને જોતા નથી! ચોમેર આતંક છવાયો છે. હું પ્રભુ આ બોલું છું.” દોડવામાં વેગવાન છટકી શકવાના નથી અને શૂરવીર યોદ્ધાઓ બચવાના નથી. ઉત્તરમાં યુફ્રેટિસ નદીને કિનારે તેઓ ઠોકર ખાઈને ગબડી પડયા છે. નાઈલ નદીની જેમ આ કોણ ચડી આવે છે? નદીનાં પૂર કાંઠા પર ફરીવળે તેમ કોણ ઊછળે છે? નાઈલ નદીની જેમ ચડી આવનાર તો ઇજિપ્ત છે; પૂરના પાણીની જેમ તે ઊછળે છે. ઇજિપ્ત કહે છે, “હું ચડાઈ કરીને આખી દુનિયા પર ફરી વળીશ! અને નગરોનો તથા તેના લોકોનો વિનાશ કરીશ. હે ઘોડેસ્વારો, આગેકૂચ કરો! રથો મારી મૂકો! સૈનિકો આક્રમણ કરો! કુશ અને પુટના ઢાલધારીઓ અને લૂદના પ્રવીણ ધનુર્ધારીઓ, આગળ વધો! આ તો સૈનાધિપતિ પ્રભુ પરમેશ્વરનો દિવસ છે; એ દિવસે તે વેર વાળશે અને તેમના શત્રુઓને સજા કરશે. તેમની તલવાર ધરાતાં સુધી ભક્ષ કરશે, અને લોહી પીને તૃપ્ત થશે. અરે, ઉત્તરમાં યુફ્રેટિસ નદીને કિનારે સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર બલિદાનોની મિજબાની ગોઠવશે. હે ઇજિપ્તના લોકો, ગિલ્યાદ જઈને વિકળાના વૃક્ષનો લેપ લઈ આવો; તમે ઘણી ઘણી ઔષધિઓનો ઉપચાર કરશો, પણ તમારો ઘા રૂઝાવાનો નથી. ઘણી પ્રજાઓએ તમારી નામોશી વિષે સાંભળ્યું છે, તમારા રુદનનો અવાજ આખી દુનિયામાં ફેલાયો છે. સૈનિકો એકબીજા સાથે અથડાય છે અને તેઓ બન્‍ને જમીન પર પટક્ય છે! બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર ઇજિપ્ત પર આક્રમણ કરવા આવી રહ્યો હતો ત્યારે પ્રભુએ યર્મિયાને આપેલો સંદેશ: ઇજિપ્તમાં એ વિષે ઘોષણા કરો! તેનાં નગરો મિગ્દોલ, નોફ તથા તાહપાન્હેસમાં જાહેરાત કરો; સાવધ થાઓ, તૈયાર થાઓ! કારણ, તમારી આસપાસ બધું યુદ્ધમાં તારાજ થયું છે. તમારા દેવ અપિસનું પતન કેમ થયું છે? શા માટે તમારો આખલો સ્થિર રહી શક્તો નથી? કારણ, પ્રભુએ તમને ઉથલાવી પાડયા છે. તમારા સૈનિકો ઠોકર ખાઇને ગબડી પડયા છે; તેઓ એકબીજાને કહે છે: ચાલો, દોડો, આપણા લોકો પાસે પાછા જતા રહીએ; અને આપણી જન્મભૂમિમાં નાસી છૂટીએ; અને શત્રુની સંહારક તલવારથી બચી જઈએ. ઇજિપ્તના રાજા ફેરોને નવું ઉપનામ આપો: ‘બડાઈખોર’; તેણે આવેલી તક ગુમાવી દીધી છે. જેમનું નામ સેનાધિપતિ યાહવે છે, જે રાજાધિરાજ છે તે કહે છે. “મારા જીવના સમ, તમારા પર આક્રમણ કરનાર નક્કી આવશે; તે તો ડુંગરોમાં તાબોર પર્વત જેવો, અને સમુદ્રની નિકટ આવેલા ઊંચા ર્કામેલ પર્વત જેવો અનન્ય છે. હે ઇજિપ્તના લોકો, દેશનિકાલ થવા માટે સરસામાન બાંધી લો; કારણ, નોફનગર ઉજ્જડ થઇ જશે; તે ખંડેર બનશે અને તેમાં કોઈ વસશે નહિ. ઇજિપ્ત તો સુંદર વાછરડી જેવું હતું. પણ ઉત્તર દિશાએથી માખે તેના પર વિનાશક હુમલો કર્યો છે. તેના ભાડૂતી સૈનિકો પણ વાછરડા જેવા લાચાર છે. તેઓ સામનો કરીને લડી શક્યા નહિ, બધા પીછેહઠ કરીને નાઠા છે; કારણ, તેમના પર આફતનો દિવસ અને વિનાશનો સમય આવી પહોંચ્યો છે. શત્રુઓનું લશ્કર નજીક આવતું જોઇ ઇજિપ્ત નાસે છે; સરક્તા સાપના સિસકારા જેવો તેનો અવાજ સંભળાય છે. માણસો વૃક્ષો કાપતા હોય તેમ તેઓ કુહાડા લઈને તૂટી પડે છે. જાણે કે સંતાયેલા સાપને પકડવા તેઓ તેનાં અભેદ્ય જંગલો પણ સફાચટ કરવા લાગ્યા છે; કારણ, તેમના સૈનિકો અસંખ્ય છે; તેઓ તીડો કરતા પણ વધારે છે. ઇજિપ્તના લોકો અપમાનિત થયા છે; તેમને ઉત્તરમાંથી આવેલી પ્રજાને તાબે કરી દેવામાં આવ્યા છે. હું પ્રભુ આ બોલું છું.” ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું નો નગરના દેવ આમોનને, આખા ઇજિપ્તને, તેના દેવોને, તેના રાજા ફેરોને અને તેના પર ભરોસો રાખનાર સૌને સજા કરીશ. હું તેમને તેમનો જીવ લેવા ચાહનાર શત્રુઓના હાથમાં એટલે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના અને તેના લશ્કરના હાથમાં સોંપી દઇશ. પણ ત્યાર પછી ઇજિપ્ત પુન: વસ્તીવાળું થશે. હું પ્રભુ આ બોલું છું.” “હે મારા સેવક યાકોબના વંશજો, બીશો નહિ, હે ઇઝરાયલના લોકો, ભયભીત થશો નહિ, કારણ, હું તમને દૂર દેશમાંથી છોડાવીશ અને હું તમારા વંશજોને દેશનિકાલની ધરતી પરથી પાછા લાવીશ. યાકોબના વંશજો પાછા આવીને નિરાંતથી અને નિર્ભયપણે જીવશે, અને કોઈ તેમને બીવડાવશે નહિ. હે મારા સેવક યાકોબના વંશજો, બીશો નહિ, કારણ, હું તમારી સાથે છું. જે જે પ્રજાઓમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા, તે બધાનું હું નિકંદન કાઢી નાખીશ, પણ હું તમારો સમૂળગો નાશ કરીશ નહિ; જો કે તમને તો મારા ન્યાયના ધોરણ પ્રમાણે શિક્ષા કરીશ અને એમાંથી તમને બાક્ત રાખીશ નહિ. હું પ્રભુ આ બોલું છું.” ઇજિપ્તના રાજાએ ગાઝા પ્રદેશ પર આક્રમણ કર્યું તે પહેલાં પલિસ્તી લોકો વિષે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો. પ્રભુ કહે છે, “જુઓ, ઉત્તરમાં પૂર ચઢે છે, અને ઘોડાપૂરની માફક તે સમસ્ત દેશ પર, નગરો અને તેના રહેવાસીઓ પર ફરી વળશે. ત્યારે લોકો વિલાપ કરશે અને દેશના સર્વ રહેવાસીઓ કરુણ આક્રંદ કરશે. તેના અલમસ્ત ઘોડાઓની ખરીઓના ધડકારા અને રથોના ખડખડાટ અને પૈડાંનો ગડગડાટ સાંભળીને પિતાઓનાં ગાત્ર શિથિલ થઈ ગયા છે, તેથી તેઓ પોતાનાં બાળકોને બચાવવા પણ રોક્તા નથી. પલિસ્તીઓની પાયમાલીનો સમય આવી પહોંચ્યો છે, તૂર અને સિદોનથી તેમને મળતી બધી મદદ કાપી નાખવામાં આવશે. ક્રીત ટાપુ પરથી નાસી છૂટીને અહીં આવી વસેલા બાકીના પલિસ્તીઓનો હું સંહાર કરીશ. ગાઝા પ્રદેશના લોકોએ શોકમાં માથાં મુંડાવ્યાં છે. આશ્કલોન નગરના લોકો સ્તબ્ધ થઈ ગયા છે. તેના ખીણપ્રદેશમાં બચી રહેલા લોકો, તમે ક્યાં સુધી પોતાને શોકમાં ઘાયલ કરશો? કોઈ પોકારશે, હે પ્રભુની તલવાર! ક્યાં સુધી તું સંહાર કર્યા કરીશ, તું મ્યાનમાં પાછી જા, શાંત થઈ જા અને આરામ કર! પણ તે કેવી રીતે ઝંપે? કારણ, મેં પ્રભુએ જ એ તલવારને આજ્ઞા આપી છે, મેં જ તેને આશ્કલોન નગરમાં અને દરિયાકિનારે વસતા લોકોનો સંહાર કરવા આદેશ આપ્યો છે. મોઆબ વિષે, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: નબોના લોકોની કેવી દુર્દશા! કારણ, તે ઉજ્જડ થયું છે. કિર્યાથાઇમ લજ્જિત થયું છે; કારણ, તેને જીતી લેવામાં આવ્યું છે. તેના મજબૂત કિલ્લાને તોડી પાડવામાં આવ્યો છે, અને તેના લોકો અપમાનિત કરાયા છે. મોઆબનું ગૌરવ ચાલ્યું ગયું છે. હેશ્બોન નગરમાં શત્રુઓ તેના પતનનું કાવતરું ઘડે છે: ‘ચાલો, એ આખી પ્રજાનું નિકંદન કાઢી નાખીએ’ હે માદમેન નગર, તને સૂમસામ બનાવી દેવાશે! તારામાં ભયંકર ક્તલેઆમ થશે. હોરોનાયિમના લોકો ચીસો પાડે છે: ‘અરે, મારી નાખ્યા’! ‘અરે લૂંટી લીધા!’ મોઆબ નષ્ટ થયું છે; છેક સોઆર સુધી તેના લોકોનો વિલાપ સંભળાય છે. તેઓ રડતાં રડતાં લૂહીથનો ઢોળાવ ચડે છે. અરે, હોરોનાયિમના ઢોળાવ સુધી તેમની વેદનાના પોકાર સંભળાય છે. તેઓ કહે છે, ‘નાસો, જીવ લઈને નાસો! વેરાનપ્રદેશમાં ગધેડું દોડે તેમ દોડી જાઓ! હે મોઆબ, તેં તારી તાક્ત અને ધનસંપત્તિ પર ભરોસો રાખ્યો, પરંતુ હવે તારું પતન થશે. તમારો દેવ કમોશ તેના યજ્ઞકારો અને રાજકુંવરો સહિત બંદી થઈને દેશનિકાલ થશે. દરેક નગર પર વિનાશ આવી પડશે અને કોઈ નગર બચશે નહિ. પ્રભુએ કહ્યું છે તેમ ખીણપ્રદેશનો નાશ થશે અને સપાટ ઉચ્ચપ્રદેશ પણ પાયમાલ થશે. મોઆબને માટે કબરના મથાળાનો પથ્થર લાવો, કારણ, તેનો વિનાશ નજીક છે; તેનાં નગરો ખંડેર થઈ જશે અને તેમાં કોઈ વસશે નહિ. જે કોઈ પ્રભુનું કાર્ય કરવામાં બેદરકારી રાખે તે શાપિત હો! જે કોઈ પોતાની તલવાર કાઢીને ક્તલ ન ચલાવે તે શાપિત હો! મોઆબ દેશે આરંભથી જ સલામતી ભોગવી છે. તે તો ઠરવા મૂકેલા દ્રાક્ષાસવ જેવો છે; જેને એક પાત્રમાંથી બીજામાં રેડવામાં આવ્યો નથી (એટલે કે, તેના લોકો કદી દેશનિકાલ કરાયા નથી.) તેથી તે દ્રાક્ષાસવનો, સ્વાદ જળવાયો છે, અને તેની સુગંધ બદલાઈ નથી. તેથી પ્રભુ કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે હું ઠાલવનાર લોકો મોકલીને તે દ્રાક્ષાસવને ઠાલવી દેવડાવીશ. તેનાં પાત્રો ખાલી કરી દેવામાં આવશે અને તેના કૂજાઓ ફોડી નાખવામાં આવશે.” જેમ ઇઝરાયલીઓ તેમના ‘બેથેલ’ના દેવ પર ભરોસો રાખવાને લીધે લજ્જિત થયા હતા તેમ મોઆબીઓ તેમના દેવ કમોશ પર ભરોસો રાખવાને લીધે લજ્જિત થશે. હે મોઆબના લોકો, તમે પોતાને શૂરવીરો અને યુદ્ધમાં ક્સાયેલા સૈનિકો કેમ ગણાવો છો? મોઆબ દેશ અને તેનાં નગરોનો વિનાશ થયો છે; તેના શ્રેષ્ઠ યુવાનો ક્તલ માટે દોરી જવાયા છે; જેમનું નામ સેનાધિપતિ યાહવે છે તે રાજાની આ વાણી છે. મોઆબની અવદશા નજીક છે તેનું પતન ઉતાવળે આવે છે. મોઆબ દેશની આસપાસ વસનારા અને તેની કીર્તિ જાણનારા તેને માટે શોક કરો! એમ કહો કે, ‘તેનો શક્તિશાળી રાજદંડ અને તેની રાજસત્તાની ગૌરવી છડી તોડી પાડવામાં આવ્યાં છે.’ હે દીબોન નગરમાં વસનારા લોકો, ગૌરવના સ્થાનેથી નીચે ઊતરો અને સૂકીભઠ ભૂમિ પર બેસો, કારણ, મોઆબનો વિનાશક તમારા પર ચઢી આવ્યો છે અને તેણે તમારા કિલ્લાઓને તોડી પાડયા છે. હે અરોએરમાં વસનારા લોકો, માર્ગ પર ઊભા રહીને જુઓ, અને નાસી જતા લોકોને પૂછપરછ કરો અને શું બન્યું તે શોધી કાઢો. તેઓ જવાબ આપશે, “મોઆબનું પતન થયું છે.” અરે, તે ઉજ્જડ થઈ ગયું છે! તેને માટે હૈયાફાટ રુદન કરો! આર્નોન નદીને કિનારે ઘોષણા કરો, કે મોઆબનો વિનાશ થયો છે. સપાટ ઉચ્ચપ્રદેશનાં નગરો, હોલોન, યાહસા, મેફાઆથ. દીબોન, નબો, બેથ-દિલ્લાથાઈમ. કિર્યાથાઇમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન કરીઓથ, બોસ્રા અને મોઆબ દેશનાં દૂરના કે નજીકનાં બધાં નગરોને સજા કરવામાં આવી છે. *** *** *** મોઆબની સત્તા તોડી પાડવામાં આવી છે અને તેનું બાહુબળ નષ્ટ કરવામાં આવ્યું છે. હું પ્રભુ આ બોલું છું. પ્રભુએ કહ્યું, “મોઆબને પીવડાવીને ચકચૂર બનાવો, કારણ, તેણે મારી સામે પડકાર ફેંકયો છે; પણ મોઆબ પોતાની જ ઊલટીમાં આળોટશે અને લોકો તેની મશ્કરી કરશે. હે મોઆબ, તેં ઇઝરાયલના લોકોની કેવી મશ્કરી ઉડાવી હતી! તેઓ જાણે લૂંટારું ટોળકીના સાગરીતો તરીકે પકડાયા હોય એમ જ્યારે જ્યારે તું એમના વિષે બોલે છે ત્યારે ત્યારે ધૃણાથી ડોકું ધૂણાવે છે! હે મોઆબમાં વસવાટ કરનારા, તમારાં નગરોમાંથી નીકળી જાઓ અને ખડકોની ગુફામાં જઈને વસો. કોતરની ધારે ઊંચાઈ પર માળો બાંધનાર કબૂતર જેવા બનો. “મેં તેનું અભિમાન, તેનો અતિશય ઘમંડ, તેની મગરૂરી, તેનો મોટો અહંકાર અને પોતાને વિષેની ઊંચી ધારણા વિષે સાંભળ્યું છે. હું પોતે તેમના અભિમાન વિષે જાણું છું. તેમની ડંફાસ વજૂદ વગરની છે અને તેમનાં કાર્યો લાંબું ટકવાનાં નથી. હું પ્રભુ આ બોલું છું. તેથી હું મોઆબને માટે વિલાપ કરીશ. સમગ્ર મોઆબના લોકો માટે રુદન કરીશ અને કીર - હેરેસના માણસો માટે હું શોક કરીશ. યાઝેરના લોકો કરતાં હું સિબ્માના લોકો માટે વધુ રુદન કરીશ. હે સિબ્મા નગર, તું તો દ્રાક્ષાવેલા જેવું છે અને તારી ડાળીઓ મૃત સરોવરને પેલે પાર યાઝેર સુધી પહોંચી હતી. પણ હવે તારા ઉનાળાનાં ફળોનો અને દ્રાક્ષના પાકનો નાશ કરવામાં આવ્યો છે. મોઆબ દેશની ફળદ્રુપ ભૂમિમાંથી આનંદ અને હર્ષ દૂર કરાયાં છે. દ્રાક્ષકુંડોમાંથી દ્રાક્ષાસવ વહેતો નથી અને ગીત લલકારીને દ્રાક્ષોને ખૂંદનાર કોઈ નથી, અને એ લલકારના આનંદી પોકારો સંભળાતા નથી. હેશ્બોન અને એલઆલેહના લોકો ચીસો પાડે છે અને તેનો પોકાર યાહાસ, સોઆર, હોરોનાયિમ અને છેક એગ્લાથ-શલીશીયા સુધી સંભળાય છે. અરેરે, નિમ્રીમનું જળાશય સુકાઈ ગયું છે. હું મોઆબના લોકોને નષ્ટ કરીને તેમને પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં બલિદાનો ચડાવતા અને તેમના દેવો આગળ ધૂપ બાળતા બંધ કરીશ. હું પ્રભુ આ બોલું છું. તેથી મારું હૃદય મોઆબને માટે અને કીર-હેરેશના લોકો માટે જાણે વિલાપની વાંસળી વગાડે છે; કારણ તેમની સર્વ ધનસંપત્તિનો નાશ થયો છે. બધાએ શોક પ્રદર્શિત કરવા માથું મુંડાવ્યું છે અને દાઢી કપાવી છે, હાથો પર ઘા કરેલા છે અને કમરે કંતાન બાંધ્યું છે. મોઆબની બધી અગાસીઓ પર અને શેરીઓના ચોકમાં માત્ર રુદન સંભળાય છે; કારણ, નકામા પાત્રની જેમ મેં મોઆબને ભાંગી નાખ્યું છે. એને લીધે મોઆબના ચૂરેચૂરા થયા છે અને તે કરુણ આક્રંદ કરે છે. મોઆબ અપમાનથી શરમિંદું થયું છે, તે ખંડેર બન્યું છે અને તેની આસપાસના લોકોમાં આશ્ર્વર્ય અને મશ્કરીનું પાત્ર બન્યું છે.” આ પ્રભુની વાણી છે. પ્રભુ આ પ્રમાણે કહે છે, “જેમ ગરુડ પોતાની પાંખો ફેલાવીને તરાપ મારે છે તેમ મોઆબ પર એક પ્રજા તૂટી પડશે. તેનાં નગરો જીતી લેવામાં આવશે. અને તેના કિલ્લાઓ કબજે કરવામાં આવશે તે સમયે પ્રસૂતાની જેમ મોઆબના સૈનિકોની હિંમત ઓગળી જશે. મોઆબનો રાષ્ટ્ર તરીકે નાશ કરવામાં આવશે; કારણ, તેમણે મારી એટલે પ્રભુની સામે પડકાર ફેંકયો હતો. મોઆબના લોકો માટે તો ભય, ખાડો અને ફાંદાઓ રાહ જોઈ રહ્યા છે. હું પ્રભુ એ કહું છું. જે ભયથી નાસી છૂટવા પ્રયત્ન કરશે તે ખાડામાં પડશે અને જે ખાડામાંથી બહાર નીકળી આવશે તે ફાંદામાં ફસાઈ જશે. કારણ, મોઆબના પતનના ઠરાવેલા સમયે હું આ બધું તેના પર લાવીશ. હું પ્રભુ આ બોલું છું. લાચાર નિર્વાસિતો હેશ્બોનમાં આશરો શોધે છે, પણ હેશ્બોનમાં તો આગ લાગી છે. એક વેળાએ એ સિહોન રાજાનું પાટનગર હતું, પણ અત્યારે તો ત્યાં જવાળા ભભૂકે છે અને એ ગર્વિષ્ઠોની ભૂમિ મોઆબની સીમો અને પહાડોને ભરખી જશે. હે મોઆબના લોકો, તમારી કેવી દુર્દશા! કમોશ દેવની પૂજા કરનાર લોકોનો વિનાશ થયો છે. તમારા પુત્રોને બંદી બનાવીને અને તમારી પુત્રીઓને દેશનિકાલ માટે લઈ જવાયા છે. પરંતુ અંત સમયે હું મોઆબને ફરીથી આબાદ બનાવીશ હું પ્રભુ આ બોલું છું.” આમ્મોનના લોકો વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું ઇઝરાયલ લોકોનાં સંતાનો નથી? શું તેમના વંશવારસો રહ્યા નથી? તો પછી શા માટે મિલ્કોમ દેવની પૂજા કરનારા લોકો ગાદ પ્રદેશનો કબજો લઈને ત્યાંનાં નગરોમાં વસવાટ કરે છે? પરંતુ એવો સમય નક્કી આવશે કે જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બામાં હું યુદ્ધનો કોલાહલ સંભળાવીશ, તેને ઉજ્જડ ટીંબો બનાવી દેવામાં આવશે અને તેનાં ગામડાંઓને બાળીને ભસ્મીભૂત કરી દેવામાં આવશે. પછી ઇઝરાયલના લોકોને ત્યાંથી હાંકી કાઢનારાને હાંકી કાઢવામાં આવશે. હું પ્રભુ આ બોલું છું.” હે હેશ્બોનના લોકો, વિલાપ કરો! કારણ, આય નગરનો નાશ કરવામાં આવ્યો છે. હે રાબ્બાની સ્ત્રીઓ, પોક મૂકીને રડો! શોક પ્રદર્શિત કરવા કંતાન ઓઢો, ગૂંચવાઈ જઈને આમતેમ દોડો; કારણ, તમારા દેવ મિલ્કોમને તેના યજ્ઞકારો અને અધિકારીઓ સહિત બંદી કરીને લઈ જવાશે. હે બેવફા લોકો, તમારી ઓસરી જતી શક્તિ વિષે બડાઈ કેમ કરો છો; અને તમારા બળ પર ભરોસો રાખીને કોઈ તમારા પર આક્રમણ કરવાની હિંમત કરશે નહિ એવું કેમ કહો છો? સાચે જ હું ચારેય દિશાએથી તમારા પર ત્રાસ લાવીશ. તમારામાંનો દરેકે પોતાનો જીવ લઈને નસાય ત્યાં નાસી જશે અને નાસી છૂટેલાને એકત્ર કરનાર કોઈ રહેશે નહિ. હું પ્રભુ આ બોલું છું. પરંતુ આખરે હું આ આમ્મોનના લોકોને મુક્ત કરીને ફરીથી આબાદ કરીશ. હું પ્રભુ આ બોલું છું.” અદોમ વિષે સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું તેમના પ્રદેશમાં કોઈની પાસે જ્ઞાન રહ્યું નથી? શું તેમનું જ્ઞાન અદશ્ય થયું છે? હે દેદાનના રહેવાસીઓ, નાસો! પાછા ફરીને ભાગો. બરાબર સંતાઈ જાઓ. હું એસાવના વંશજોનો વિનાશ કરવાનો છું. કારણ, તેમની સજાનો સમય આવી પહોંચ્યો છે. દ્રાક્ષ ઉતારનારા દ્રાક્ષવેલા પર થોડી દ્રાક્ષો રહેવા દે છે, અને ચોરો રાત્રે ચોરી કરે તો તેમને જે જોઈએ તે જ ચોરી જાય છે; પરંતુ મેં એસાવના વંશજોને નગ્ન કરી દીધા છે, તેમ જ તેમનાં સંતાવાનાં સ્થાનો ઉઘાડાં કર્યાં છે; તેથી તેઓ કોઈ જગાએ સંતાઈ શકે તેમ નથી. અદોમના વંશજોનો વિનાશ થયો છે. તેમના સગાંસંબંધી અરે, પાડોશીઓ પણ નાશ પામ્યા છે. અને ‘તમારાં અનાથ બાળકોને મારી પાસે મૂકો હું તેમની સંભાળ લઈશ અને તમારી વિધવાઓ મારા પર આધાર રાખી શકે છે,’ એમ કહેનાર પણ કોઈ બચ્યું નથી.” વળી, પ્રભુ આ પ્રમાણે કહે છે, “જેઓ ખરેખર સજાપાત્ર નહોતા છતાં પણ તેમને સજાનો પ્યાલો પીવો પડયો, તો પછી શું તમે સજામાંથી બિલકુલ બચી જશો? ના, તમે સજામાંથી છટકી શકશો નહિ; તમારે પણ એ સજાનો પ્યાલો પીવો જ પડશે. હું પ્રભુ સોગંદપૂર્વક કહું છું કે બોસ્રા નગરને જોઈને લોકોમાં હાહાકાર મચી જશે, તે વેરાન, નિંદાપાત્ર અને શાપરૂપ બની જશે. તેની આસપાસનાં નગરો પણ સદાને માટે ઉજ્જડ બની જશે.” યર્મિયાએ કહ્યું, “‘હે અદોમના લોકો, મને પ્રભુ તરફથી એક સંદેશ મળ્યો છે. બધા દેશમાં રાજદૂત મોકલીને તમારા પર આક્રમણ કરવા લશ્કરને સાબદું રાખવાનું ફરમાવ્યું છે. પ્રભુ કહે છે: ‘હું તમને બધી પ્રજાઓમાં સૌથી હલકા પાડીશ, અને લોકો તમારી ધૃણા કરશે. તમારા દેવની ભયાનક મૂર્તિએ અને તમારા ઉધત અહંકારે તમને છેતર્યા છે. જો કે તમે ખડકોનાં પોલાણોમાં વસો છો અને પર્વતના શિખરે રહો છો અને ગરુડ ખૂબ ઊંચાઈએ માળો બાંધે તેમ ઊંચે વસો છો તો પણ હું તમને ત્યાંથી નીચે પાડીશ. હું પ્રભુ એ બોલ્યો છું.” પ્રભુ કહે છે, “અદોમ પ્રદેશ આતંકપ્રદ બનશે. તેમાંથી પસાર થનાર હાહાકાર કરશે. અને તેના પર આવેલી આફત જોઈને આઘાત પામશે. સદોમ, ગમોરા અને તેની આસપાસનાં નગરોનો વિનાશ થયો ત્યારે જે બન્યું તે જ પ્રમાણે અદોમનું પતન થશે ત્યારે ત્યાં કોઈ માણસ રહેશે નહિ કે વસવાટ કરશે નહિ. જેમ કોઈ સિંહ યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ એવા ઘાસના મેદાનમાં આવી ચડે તેમ હું ધસી આવીશ અને તેમને તેમના પ્રદેશમાંથી અચાનક હાંકી કાઢીશ અને મારા મનપસંદ રાજર્ક્તાને ત્યાં ગોઠવી દઈશ. કારણ, મારા સરખો કોઈ છે? કોણ મારી સામે પડકાર ફેંકી શકે? કયો રાજપાલક મારો સામનો કરી શકે? તેથી અદોમના લોકો વિરુદ્ધની મારી યોજના વિષે સાંભળો, અને તેમાન નગરના રહેવાસીઓ વિરુદ્ધના મારા ઇરાદાઓ સાંભળો: હું સોગંદપૂર્વક કહું છું કે નાનાં નાનાં બાળકોને પણ શત્રુઓ ઘસડી જશે અને તેમની દશા જોઈને બીજા ચોંકી ઊઠશે. તેમના પછડાવાના અવાજથી ધરતી કાંપી ઊઠશે અને તેનો ધડાકો છેક સૂફ સમુદ્ર સુધી સંભળાશે. જેમ ગરુડ પાંખો પ્રસારીને તરાપ મારે છે તેમ શત્રુ બોા પર ઓચિંતો તૂટી પડશે. તે સમયે પ્રસૂતાની જેમ અદોમના સૈનિકોની હિંમત ઓસરી જશે.” દમાસ્ક્સ વિષે સંદેશ: પ્રભુ કહે છે, “હમાથ અને આર્પાદના લોકો માઠા સમાચાર સાંભળીને ચિંતાતુર બન્યા છે. સાગરની જેમ તેઓ ખળભળી ઊઠયા છે અને તેમને કંઈ ચેન પડતું નથી દમાસ્ક્સના લોકો લાચાર બન્યા છે. તેઓ નાસી છૂટવા માગે છે, પણ ભયથી સ્તબ્ધ થઈ ગયા છે. પ્રસૂતાની જેમ તેઓ દુ:ખ અને વેદનામાં સપડાયા છે. પ્રખ્યાત અને આનંદદાયક નગર સાવ સૂનું થઈ ગયું છે. તે દિવસે તેના યુવાનો નગરના ચોકમાં માર્યા જશે અને તેના બધા સૈનિકો નાશ પામશે. હું દમાસ્ક્સના કોટને આગ લગાડીશ અને બેન-હદાદના કિલ્લાઓને બાળીને ભસ્મ કરીશ. હું સેનાધિપતિ પ્રભુ આ બોલું છું.” કેદાર અને હાસોરના તાબાના પ્રદેશો જેમને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે જીતી લીધા હતા તેમના વિષેનો સંદેશ. પ્રભુ આ પ્રમાણે કહે છે; “ઊઠો, કેદારના લોકો પર આક્રમણ કરો! પૂર્વ તરફની એ જાતિનો વિનાશ કરો. તેમના તંબૂઓ, ઘેટાંબકરાં, તંબૂના પડદા અને તેમનો બધો સરસામાન કબજે કરી લો. તેમનાં ઊંટો પડાવી લો અને પોકારીને કહો, ‘ચોમેર આતંક છે.” પ્રભુ કહે છે, “હે હાસોરના રહેવાસીઓ, નાસો, દૂર જતા રહો. બરાબર સંતાઈ જાઓ! કારણ, બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે તમારી વિરુદ્ધ યોજના ઘડી છે અને તમારી વિરુદ્ધ નિર્ધાર કર્યો છે. તેથી હું પ્રભુ કહું છું: “ઊઠો, જે લોકો નિરાંત ભોગવે છે અને પોતાને સલામત માને છે તેમના પર આક્રમણ કરો! તેમનાં નગરોને દરવાજા કે તાળાં નથી અને તેઓ એકલાઅટૂલા વસે છે. તેમનાં ઊંટોને તથા ઢોરઢાંકને લૂંટી લો.” પ્રભુ કહે છે, “લમણાંના વાળ મૂંડનાર જાતિના લોકોને હું ચારે બાજુ વેરવિખેર કરી નાખીશ અને હું ચોમેરથી તેમના પર આફત લાવીશ. હું પ્રભુ આ બોલું છું. હાસોરનો પ્રદેશ સદાકાળ શિયાળવાંનું રહેઠાણ અને ઉજ્જડ સ્થાન બનશે, ત્યાં કોઈ માણસ રહેશે નહિ કે કોઈ પડાવ નાખશે નહિ.” યહૂદિયાના રાજા સિદકિયાના રાજની શરૂઆતમાં સંદેશવાહક યર્મિયાને એલામ દેશ વિષે પ્રભુનો સંદેશ મળ્યો. સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “હું એલામ દેશને શક્તિશાળી બનાવનાર બધા ધનુર્ધારીઓનો નક્કી નાશ કરીશ. હું એલામ વિરુદ્ધ ચારે દિશાએથી પવન મોકલીશ અને તેના લોકને આ પવનોથી ચોમેર વેરવિખેર કરી નાખીશ, એટલે સુધી કે કોઈ એવો દેશ નહિ હોય જ્યાં એલામનો નિરાશ્રિત ન હોય! હું એલામના લોકોને તેમનો જીવ લેવા ઇચ્છનાર તેમના શત્રુઓથી ભયભીત કરી દઈશ. હું મારા ઉગ્ર ક્રોધમાં એલામના લોકો પર આફત લાવીશ અને તેમનો વિનાશ ન થાય ત્યાં સુધી યુદ્ધ તેમનો પીછો કરે એવું કરીશ. તેના રાજા અને અધિકારીઓને દૂર કર્યા પછી હું ત્યાં મારું રાજ્યાસન સ્થાપીશ. હું પ્રભુ એ બોલ્યો છું. આખરે હું એલામને ફરીથી આબાદ બનાવીશ. હું પ્રભુ પોતે આ બોલું છું.” સંદેશવાહક યર્મિયા મારફતે બેબિલોન દેશ તથા તેના ખાલદી લોકો વિષે પ્રભુનો જે સંદેશ પ્રગટ કરાયો તે આ છે: “બધા દેશોમાં આ સમાચાર પ્રગટ કરો, તેની ઘોષણા કરો, વજા ફરકાવીને જાહેરાત કરો; અને છુપાવશો નહિ: ‘બેબિલોનને જીતી લેવામાં આવ્યું છે; તેનો દેવ બેલ લજ્જિત થયો છે અને તેના દેવ મારદૂકના ભુક્કા બોલી ગયા છે. તેની મૂર્તિઓ બદનામ થઈ છે અને તેના ધૃણાસ્પદ દેવોનાં પૂતળા ભાંગી પડયાં છે. ઉત્તરમાંથી એક પ્રજા બેબિલોન પર આક્રમણ કરવા આવી રહી છે. તેઓ તે દેશને ઉજ્જડ બનાવી દેશે. માણસો અને પ્રાણીઓ સુદ્ધાં ત્યાંથી નાસી છૂટશે અને ત્યાં કોઈ વસવાટ કરશે નહિ.” પ્રભુ કહે છે “એ સમય આવશે ત્યારે તે દિવસોમાં ઇઝરાયલ અને યહૂદિયાના લોકો એકત્ર થઈને પાછા આવશે. તેઓ આખે રસ્તે વિલાપ કરતાં કરતાં મને, તેમના ઈશ્વર પ્રભુને શોધશે. તેઓ સિયોનનો માર્ગ પૂછશે અને તે દિશામાં આગળ વધશે. તેઓ કહેશે, ‘ચાલો, આપણે પ્રભુ સાથે કદી વિસરાય નહિ એવા કાયમી કરારથી બંધાઈ જઈએ.” પ્રભુ કહે છે, “મારા લોકો તો ભરવાડોએ પર્વતો પર રઝળતા મૂકી દીધેલાં અને તેથી ભૂલાં પડેલાં ઘેટાં જેવા છે. એક પર્વત પરથી બીજા પર્વત પર તેઓ ભટક્તા ફર્યાં છે. અને તેથી પોતાનો વાડો પણ વીસરી ગયા છે. જેમને તેમનો ભેટો થઈ ગયો તેમણે તેમનો ભક્ષ કર્યો. તેમના શત્રુઓ કહે છે, ‘એમાં આપણે કશું ખોટું કરતાં નથી! કારણ, તેમણે પ્રભુ, જે તેમને માટે સાચા વાડા સમાન અને તેમના પૂર્વજોની આશા હતા, તેમની વિરુદ્ધ પાપ કર્યાં છે. “હે ઇઝરાયલી લોકો, બેબિલોનમાંથી નાસી જાઓ. ખાલદી લોકોની ભૂમિ પરથી નાસી છૂટો ટોળાને દોરવા આગળ આગળ ચાલતા બકરાની જેમ પહેલ કરી ચાલી નીકળો. હું ઉત્તર દિશાથી બળવાન પ્રજાઓના જૂથને ઉશ્કેરીને લાવીશ અને તેઓ બેબિલોન પર આક્રમણ કરશે. તેઓ બેબિલોન દેશની વિરુદ્ધ યુદ્ધની વ્યૂહરચના ગોઠવશે અને તેને જીતી લેશે. તેમનાં બાણ પ્રવીણ સૈનિકોએ મારેલાં બાણ જેવાં છે અને તે કદી નિશાન ચૂક્તાં નથી. બેબિલોનને લૂંટી લેવામાં આવશે અને તેને લૂંટનારાઓ ધરાય ત્યાં સુધી લૂંટ ચલાવશે. હું પ્રભુ આ બોલું છું.” પ્રભુ કહે છે, “હે બેબિલોનના લોકો, તમે મારી વારસાસમ પ્રજાને લૂંટી લીધી છે. તમે આનંદ ભલે કરો અને હરખાઓ; ભલે તમે ગોચરમાં રમણે ચડેલી વાછરડીની જેમ કૂદાકૂદ કરો અને ઘોડાઓની જેમ હણહણો; પરંતુ તમારી માતૃભૂમિ બહુ લજ્જિત થશે, અને તમારી જન્મભૂમિ અપમાનિત થશે. બધા દેશોમાં બેબિલોનનું સ્થાન સૌથી ઊતરતું હશે અને તે વેરાન, નિર્જળ અને રણપ્રદેશ જેવું બની જશે. મારા કોપના લીધે તેમાં કોઈ વસવાટ કરશે નહિ. આખો દેશ વેરાન બની જશે. બેબિલોન પાસેથી પસાર થનારા લોકો તેમની દશા જોઈને આઘાત પામશે અને આશ્ર્વર્યમાં પડી જશે. “હે ધનુર્ધારીઓ, બેબિલોનની આસપાસ વ્યૂહ ગોઠવો અને તેને ઘેરી લો. તમારાં બાણોનો મારો ચલાવો; જરાયે રોકાશો નહિ. કારણ, તેણે મારી એટલે પ્રભુની વિરુદ્ધ પાપ કર્યું છે. નગરની ચારેબાજુએથી રણનાદ ગજવો. હવે બેબિલોન નગરીએ શરણાગતિ સ્વીકારી છે. તેના બુરજો તૂટી પડયા છે અને તેનો કોટ તોડી પાડવામાં આવ્યો છે. હું પ્રભુ બેબિલોન પર વેર વાળું છું તેથી તેના પર તમારું વેર વાળો! તેણે તમારા જેવા હાલ કર્યા હતા તેવા જ તેના પણ કરો. બેબિલોનમાંથી વાવણી કરનાર અને કાપણી વખતે દાતરડાથી લણનારને દૂર કરો. તેમાં વસનાર પરદેશીઓ આક્રમણ કરી રહેલ લશ્કરની બીકને લીધે ત્યાંથી પોતપોતાના વતનમાં નાસી જશે.” પ્રભુ કહે છે, “ઇઝરાયલી પ્રજા તો સિંહોએ પાછળ પડી વેરવિખેર કરી નંખાયેલા ઘેટાંના ટોળા જેવી છે. પ્રથમ આશ્શૂરના રાજાએ તેમનો ભક્ષ કર્યો અને પછી બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર તેમનાં હાડકાં ચાવી ગયો. તેથી હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું. મેં જેમ આશ્શૂરના રાજાને સજા કરી તેમ બેબિલોનના રાજા અને તેના દેશને જરૂર સજા કરીશ. અને હું ઇઝરાયલના લોકોને તેમના ગોચરસમા વતનમાં પાછો લાવીશ. તેઓ ર્કામેલ અને બાશાન પ્રદેશમાં ચરશે અને એફ્રાઇમ તથા ગિલ્યાદની ટેકરીઓ પર ધરાઈને ખાશે. એ સમય આવશે ત્યારે લોકો શોધે તો પણ ઇઝરાયલમાં કોઈ દોષ જડશે નહિ અને યહૂદિયામાં કોઈ દુષ્ટતા જોવા મળશે નહિ. કારણ, જેમને મેં જીવતા રાખ્યા છે તેમને હું માફી પણ આપીશ. હું પ્રભુ આ બોલું છું.” પ્રભુ કહે છે, “મેરાથાઇમ અને પેકોદના લોકો પર આક્રમણ કરો; તેમનો પીછો કરીને તેમની ક્તલ કરો અને પૂરેપૂરો વિનાશ કરો. મારી આજ્ઞા સંપૂર્ણપણે પાળો. હું પ્રભુ એ કહું છું. દેશમાં યુદ્ધનો કોલાહલ અને મહાવિનાશનો પોકાર સંભળાય છે. આખી દુનિયા માટે હથોડા સમાન બેબિલોનના તૂટીને ચૂરેચૂરા થઈ ગયા છે. બેબિલોનની દશા જોઈને બધી પ્રજાઓ ચોંકી ઊઠી છે. હે બેબિલોન નગરી, તારી બીછાવેલી જાળમાં તું પોતે જ સપડાઈ ગઈ, અને તને ખબર સુદ્ધાં પડી નહિ. તું ફસાઈને પકડાઈ ગઈ; કારણ, તેં મને એટલે પ્રભુને પડકાર ફેંકયો હતો. મેં મારા શસ્ત્રભંડારો ખોલ્યા છે અને મારા કોપમાં શસ્ત્રો બહાર કાઢયાં છે. કારણ, મારે, સેનાધિપતિ પ્રભુ પરમેશ્વરે ખાલદીઓના દેશમાં મારું કાર્ય કરવાનું છે. બધા જ તેના પર હુમલો કરો. તેના કોઠારો ખોલી નાખો અને તેમાંનું અનાજ કાઢીને ઢગલા કરો; એનો પૂરેપૂરો નાશ કરો. કશું બચવા દેશો નહિ. આખલા જેવા તેના સર્વ સૈનિકોનો સંહાર કરો. તેમની ક્તલ કરી નાખો! એમનું આવી બન્યું છે! તેમની સજાનો દિવસ અને તેમના પતનનો સમય આવી પહોંચ્યો છે. બેબિલોનમાંથી નિરાશ્રિતો નાસી છૂટીને સિયોનમાં આવ્યા છે. બેબિલોનીઓએ પ્રભુના મંદિરની જે દશા કરી હતી તેનું વેર આપણા ઈશ્વર પ્રભુએ તેમના પર વાળ્યું છે તે વિષે તેઓ ત્યાં જાહેરાત કરે છે. પ્રભુ કહે છે, “ધનુર્ધારીઓને બેબિલોન પર તીરનો મારો ચલાવવાનું કહો. જે કોઈને ધનુષ્ય અને તીર ચલાવતા આવડતું હોય તેવા દરેકને મોકલી આપો. ચારેબાજુથી નગરને ઘેરો ઘાલો અને કોઈને છટકી જવા દેશો નહિ; તેને તેનાં કાર્યોનો બદલો આપો. તેણે જેવી બીજાની દશા કરી હતી એવી જ દશા તેની પણ કરો. કારણ, તેણે મારી એટલે ઇઝરાયલના પવિત્ર પ્રભુ વિરુદ્ધ તુમાખી દાખવી હતી. તેથી તેના યુવાનો નગરના ચોકમાં માર્યા જશે અને તેના બધા સૈનિકોનો તે સમયે વિનાશ કરવામાં આવશે. હું પ્રભુ પોતે આ બોલું છું.” સેનાધિપતિ પ્રભુ કહે છે, “હે ઘમંડી બેબિલોન, હું તારી વિરુદ્ધ છું; કારણ, તને સજા કરવાનો નિયત દિવસ અને તારા પતનનો સમય આવી પહોંચ્યો છે. ઘમંડી બેબિલોન ઠોકર ખાઈને પટકાઈ પડશે અને કોઈ તેને ઉઠાડશે નહિ. હું તેનાં નગરોમાં આગ લગાડીશ અને તેની આસપાસનું બધું જ બળીને ભસ્મ થશે.” સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “ઇઝરાયલ અને યહૂદિયાના લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો છે. તેમને કેદ કરીને લઈ જનારા તેમની ચોકી કરે છે અને તેમને છટકવા દેતા નથી.” પણ તેમનો બચાવ કરનાર બળવાન છે; તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. તે જાતે જ તેમનો પક્ષ લેશે અને પૃથ્વી પર શાંતિ સ્થાપશે. પણ બેબિલોનના રહેવાસીઓમાં તો અંધાધૂંધી ફેલાવાશે. પ્રભુ કહે છે: “બેબિલોન દેશ પર અને બેબિલોનના રહેવાસીઓ પર, તેના અધિકારીઓ પર અને તેના જ્ઞાનીઓ પર તલવાર ઝઝુમે છે! તેના સંદેશવાહકોને માથે તલવાર ઝઝૂમે છે; તેઓ લવારો કરે છે! તેના સૈનિકોને માથે તલવાર ઝઝૂમે છે; તેઓ આતંક પામે છે! તેના ઘોડાઓ પર, તેના રથો પર અને તેના ભાડૂતી સૈનિકોને માથે તલવાર ઝઝૂમે છે તેઓ અબળા જેવા નબળા બની જશે. તેના ખજાના પર તલવાર ઝઝુમે છે; તે લૂંટાઈ જશે. તેનાં જળાશયો પર તલવાર ઝઝુમે છે; તે બધાં સુકાઈ જશે. બેબિલોન દેશ તો ભયાનક મૂર્તિઓની ભૂમિ છે. અને લોકો તેમની પાછળ ઘેલા બને છે. તેથી બેબિલોન તો શિયાળવાં, તરસો અને ધુવડોનું રહેઠાણ થશે. તેમાં ફરીથી કોઈ વસવાટ કરશે નહિ અને પેઢીઓની પેઢીઓ સુધી તે નિર્જન પડી રહેશે. સદોમ, ગમોરા અને તેમની આસપાસનાં નગરોનો મેં વિનાશ કર્યો ત્યાર પછી ત્યાં જે બન્યું તે જ પ્રમાણે બેબિલોનમાં પણ કોઈ માણસ રહેશે નહિ કે કોઈ પડાવ પણ નાખશે નહિ. હું પ્રભુ આ બોલું છું.” જુઓ, દૂર ઉત્તરમાંથી એક શક્તિશાળી પ્રજા આવે છે; ઘણા રાજાઓ પૃથ્વીના છેક છેવાડાના ભાગોમાંથી હુમલો કરવા આવી રહ્યા છે. તેમણે પોતાનાં ધનુષ્ય અને તલવાર ધારણ કર્યા છે. તેઓ ક્રૂર તથા ઘાતકી છે. તેઓ ગરજતા સમુદ્રની જેમ ઘોડાઓ પર સવાર થઈને ધસી આવે છે. હે બેબિલોનના લોકો, તેઓ તમારી વિરુદ્ધ લડાઈ માટે સજ્જ થયેલા છે. બેબિલોનના રાજાએ આ સમાચાર સાંભળ્યા છે, અને તેના હાથ હેઠા પડયા છે, તેને તીવ્ર પીડાએ જકડી લીધો છે. પ્રસૂતિની વેદના જેવી વેદના તેને થઈ છે. “યર્દન નદીની ઝાડીમાંથી સદાય લીલાંછમ ઘાસના મેદાન પર સિંહ ધસી આવે તેમ હું અચાનક ધસી આવીને બેબિલોનના લોકોને હાંકી કાઢીશ; ત્યાર પછી હું મારા મનપસંદ રાજર્ક્તાને ત્યાં ગોઠવી દઈશ. કારણ, મારા સરખો કોણ છે? કોણ મારી સામે પડકાર ફેંકી શકે? કયો રાજપાલક મારો સામનો કરી શકે? તેથી બેબિલોનના લોકો વિરુદ્ધ ઘડેલી મારી યોજના વિષે સાંભળો! અને ખાલદીઓના દેશ વિરુદ્ધ મારા ઈરાદાઓ સાંભળો! હું સોગંદપૂર્વક કહું છું કે નાનાં નાનાં બાળકોને પણ શત્રુ ઘસડી જશે! અને તેમની દશા જોઈને બીજા ચોંકી ઊઠશે. બેબિલોનના પતનના ધબકારાથી ધરતી કાંપી ઊઠે છે અને તેનો ધડાકો દૂરદૂરના દેશો સુધી સંભળાય છે.” પ્રભુ આ પ્રમાણે કહે છે, “બેબિલોન દેશ અને લેબ - કામાયના રહેવાસીઓની વિરુદ્ધ હું વિનાશક વાયુ જેવા પરદેશીઓને મોકલીશ. તેઓ આવીને બેબિલોનના લોકોને તેમની ભૂમિમાંથી ઉપણી નાખશે અને તેમનો દેશ ખાલી કરી નાખશે. એ વિનાશના દિવસે તેઓ તેને ચારેબાજુથી ઘેરી લેશે. તેના ધનુર્ધારીઓને ધનુષ્ય ચડાવવાનો સમય મળશે નહિ, કે તેના સૈનિકોને બખ્તર સજવાનો સમય રહેશે નહિ. તેના યુવાનો પર દયા દાખવવામાં આવશે નહિ અને તેના સૈન્યનો સંપૂર્ણ નાશ થશે. તેઓ ખાલદીઓની ભૂમિ પર ક્તલ થઈને પડશે અને બેબિલોનની શેરીઓમાં વીંધાઈને પટકાશે. જો કે તેમની ભૂમિ મારી એટલે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર વિરુદ્ધના પાપથી ભરપૂર હતી, છતાં મેં સેનાધિપતિ પ્રભુએ ઇઝરાયલ અને યહૂદિયાને તજી દીધા નથી. બેબિલોનમાંથી નાસી છૂટો, તમે બધા જીવ લઈને ભાગો; જેથી બેબિલોનના પાપને લીધે તમે માર્યા ન જાઓ. હવે બદલો લેવાનો મારો સમય આવ્યો છે, અને હું તેને યોગ્ય સજા કરી રહ્યો છું. બેબિલોન તો મારા હાથમાં સોનેરી પ્યાલા જેવું હતું, જેમાંથી પીને આખી દુનિયા ચકચૂર થઈ. પ્રજાઓ તેમાંથી દ્રાક્ષાસવ પીને ભાન ભૂલી છે. પણ બેબિલોન અચાનક પડીને પાયમાલ થયું છે; તેને માટે વિલાપ કરો; તેના ઘા પર વિકળાના વૃક્ષનો લેપ લગાવો કે તેનો ઘા કદાચ રૂઝાય. તેમાં વસતા પરદેશીઓએ કહ્યું, “અમે બેબિલોનના ઘાનો ઉપચાર કરવા પ્રયત્ન કર્યો, પણ તેને રૂઝ વળે એમ નથી. તેથી ચાલો, આપણે એને તજી દઈએ અને દરેક જણ પોતપોતાના વતનમાં જતા રહીએ; કારણ, તેના અપરાધની સજા આકાશ સુધી પહોંચી છે અને ગગન સુધી ઊંચે ચડી છે. ખરેખર આપણે સાચા છીએ એનું પ્રભુએ સમર્થન કર્યું છે. ચાલો, આપણે યરૂશાલેમ જઈએ અને ત્યાં લોકોને આપણા ઈશ્વર પ્રભુનાં કાર્ય પ્રગટ કરીએ.” પ્રભુએ બેબિલોનનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે. તેથી તેમણે માદીઓના રાજાઓને ઉશ્કેર્યા છે. પ્રભુના મંદિરનો વિનાશ કર્યાને લીધે પ્રભુ આ રીતે પોતાનું વેર વાળી રહ્યા છે. સેનાનાયકો હુકમ કરે છે: તમારાં તીરોને તીક્ષ્ણ બનાવો અને ઢાલો ધારણ કરો. બેબિલોનના કોટ પર આક્રમણ કરવા સંકેત આપો, સખત ચોકી પહેરો ગોઠવો, નાસભાગ રોકવા ચોકીદારો ગોઠવો, છાપો મારવા સંતાઈને તૈયાર રહો.’ કારણ, બેબિલોનના લોકો વિરુદ્ધ પ્રભુએ જે સંદેશ પ્રગટ કર્યો હતો તે જ પ્રમાણે તેમણે પોતાની યોજના પાર પાડી છે. બેબિલોનને કહો, ‘તું ઘણી નદીઓ અને નહેરો પર વસેલું છે, અને તારા ધનના ભંડારો ભરપૂર છે. પણ હવે તારો અંત આવ્યો છે, તારી જીવાદોરી કાપી નાખવામાં આવી છે.’ સેનાધિપતિ પ્રભુએ પોતાના જીવના સોગંદ લઈ કહ્યું છે: “હું તીડોની માફક અસંખ્ય માણસો બેબિલોનમાં લાવીશ, અને તેઓ તારા પર વિજેતા બનીને જયઘોષ કરશે.” પ્રભુએ પોતાના સામર્થ્યથી પૃથ્વીની રચના કરી, પોતાના જ્ઞાનથી તેમણે તેને સંસ્થાપિત કરી; અને પોતાની પ્રજ્ઞાથી આકાશને વિસ્તાર્યું છે. જ્યારે તે આજ્ઞા કરે છે ત્યારે આકાશી ધુમ્મટ ઉપરનાં પાણી ગર્જના કરે છે. તે પૃથ્વીની ક્ષિતિજો પરથી વાદળાં ઊંચે ચઢાવે છે, વરસાદના તોફાનમાં વીજળી ચમકાવે છે, અને પોતાના ભંડારમાંથી પવન મોકલે છે. એ જોઈને પામર માનવીઓ આભા અને સ્તબ્ધ બની જાય છે, અને મૂર્તિ ઘડનાર કારીગરો શરમાઇ જાય છે, કારણ કે તે પ્રતિમાઓ ખોટી અને નિર્જીવ છે. તે પ્રતિમાઓ વ્યર્થ અને ભ્રામક છે. પ્રભુ તેમને સજા કરશે ત્યારે તેમનો વિનાશ થશે. યાકોબના હિસ્સે આવેલા ઈશ્વર એવા નથી; તે તો સકળ સૃષ્ટિના સર્જનહાર છે અને તેમણે ઇઝરાયલ પ્રજાને પોતાના વારસ તરીકે નીમી છે. તેમનું નામ સેનાધિપતિ યાહવે છે! પ્રભુ કહે છે: “હે બેબિલોન, તું મારો હથોડો છે. તું મારું યુદ્ધનું હથિયાર છે. તારા વડે હું પ્રજાઓનું ખંડન કરીશ અને તારા વડે રાજ્યોનો વિનાશ કરીશ. તારા વડે હું ઘોડા અને તેના સવારના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું રથ અને તેના સારથિના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું પુરુષ અને સ્ત્રીના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું વૃદ્ધ અને બાળકના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું યુવાન અને યુવતીના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું ઘેટાંપાળક અને ઘેટાંના ટોળાંના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું ખેડૂત અને તેના બળદની જોડના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું શાસકો અને અધિકારીઓના ચૂરેચૂરા કરીશ.” પ્રભુ કહે છે, “છતાં સિયોનમાં આચરેલા અત્યાચારો માટે હું બેબિલોન અને તેના લોકો પાસેથી તમારી આંખો સામે બદલો લઈશ. હે બેબિલોન, તું તો આખી દુનિયા પર તૂટી પડનાર આક્રમકોના મોટા પર્વત જેવો થયો છું. પણ હું તારી વિરુદ્ધ છું. હું મારો હાથ લંબાવીને તને પકડીશ અને ભેખડ પરથી ગબડાવી પાડીશ અને તને બાળીને ભસ્મ કરી દઈશ. કોઈ તારા ખંડિયેરના પથ્થરોનો ખૂણાના કે પાયાના પથ્થરો તરીકે બાંધકામમાં વાપરશે નહિ. તું કાયમને માટે ઉજ્જડ બની જશે. આ હું પ્રભુ બોલું છું.” આક્રમણ કરવા માટે વજા ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડું વગાડો! બેબિલોનની વિરુદ્ધ યુદ્ધ કરવાને માટે એ પ્રજાઓને સાબદી કરો. અરારાટ, મિન્‍ની અને આશ્કેનાઝની પ્રજાઓને તેના પર આક્રમણ કરવા બોલાવી લાવો. તેની વિરુદ્ધ સેનાનાયકો નીમો. તીડોનાં ટોળાંની જેમ ઘોડેસ્વારોને ચડાઇ કરવા લઇ આવો. બેબિલોન વિરુદ્ધ યુદ્ધ કરવાને બધી પ્રજાઓને સુસજ્જ કરો. માદીઓના રાજાઓને, તેના રાજ્યપાલોને, અધિકારીઓને અને તેમના અધિકાર નીચેના બીજા દેશોમાંથી લશ્કરને યુદ્ધ માટે બોલાવો. ધરતી ધ્રૂજે છે અને કાંપે છે. કારણ, બેબિલોનને ઉજ્જડ અને વસ્તી વગરનું બનાવી દેવા પ્રભુએ પોતાની યોજના અમલમાં મૂકી છે. બેબિલોનના સૈનિકોએ લડવાનું બંધ કર્યું છે અને તેઓ પોતાના કિલ્લામાં ભરાઈ ગયા છે. તેઓ હિંમત હારી ગયા છે અને તેઓ અબળા જેવા નબળા બની ગયા છે. નગરના દરવાજાઓને તોડી પાડવામાં આવ્યા છે અને મકાનોને આગ લગાડવામાં આવી છે. એક પછી એક સંદેશક અને એક પછી એક દોડવીર બેબિલોનના રાજા પાસે પહોંચીને સમાચાર આપે છે કે તેનું નગર પૂરેપૂરું જીતી લેવાયું છે. શત્રુઓએ નદીના પુલો કબજે કર્યા છે અને સરકટના તરાપાઓને આગ ચાંપી છે અને બેબિલોનના સૈનિકો ભયભીત થયા છે. હાલ તો બેબિલોનના રહેવાસીઓ ખળામાંના અનાજની જેમ ખૂંદાય છે. પણ થોડીવાર પછી તેમને ત્યાંથી ઉપણીને ઉડાડી દેવામાં આવશે. હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું. સિયોનવાસીઓ કહેશે, “બેબિલોનના રાજાએ યરુશાલેમનો ભક્ષ કર્યો અને તેને પચાવી દીધું. ખાલી પાત્રની જેમ તેણે નગરને ખાલી કર્યું. રાક્ષસી અજગરની જેમ તેને ગળી ગયો, તેણે પોતાનું ઉદર સ્વાદિષ્ટ વાનગીઓથી ભરી દીધું અને નકામી ચીજોને ઓકી કાઢી. સિયોનવાસીઓ કહેશે, “અમારા દેહ પર ગુજારેલા અત્યાચારનો બદલો બેબિલોન પાસેથી લો.” યરુશાલેમવાસીઓ કહેશે, “અમારા રક્તનો બદલો ખાલદીઓ પાસેથી લો.” તેથી પ્રભુ યરુશાલેમના લોકોને આ પ્રમાણે કહે છે, “હું જરૂર તમારો પક્ષ લઈશ, અને તમારું વેર વાળીશ. બેબિલોનને પાણીનો પુરવઠો પૂરો પાડતી નદીઓને અને નહેરોને હું સૂકવી નાખીશ. બેબિલોન ખંડેરનો ઢગલો બની જશે અને શિયાળોનું રહેઠાણ બનશે. તેને વસ્તીહીન થયેલું જોઈને લોકો આઘાત પામશે અને તેના પર ફિટકાર વરસાવશે. બેબિલોનના લોકો એક સાથે સિંહોની જેમ ગર્જના કરે છે અને સિંહોના બચ્ચાંની જેમ ધૂરકે છે. તેઓ ઉગ્ર થશે ત્યારે હું મિજબાનીમાં તેમને પીણાં પીવડાવીશ, હું તેમને ચકચૂર અને મસ્ત બનાવીશ અને ત્યાર પછી તેઓ કાયમી ઊંઘમાં પોઢી જશે અને ફરી કદી ઊઠશે નહિ. હું તેમને ઘેટાં, બકરાં અને મેઢાંઓની જેમ કપાવાને માટે ક્તલખાને લઈ જઇશ. હું પ્રભુ આ બોલું છું” જેનું ગુપ્ત નામ શેશાખ છે તે બેબિલોન વિષે પ્રભુ કહે છે, “આખી દુનિયા જે નગરની શોભાનાં ગુણગાન ગાતી હતી તેને જીતી લેવામાં આવ્યું છે. હવે બેબિલોનની ભયાનક દશા જોઈને દુનિયાની બધી પ્રજાઓ થથરી ઊઠી છે. બેબિલોન પર જાણે સમુદ્ર ફરી વળ્યો છે અને તેનાં ગરજતાં મોજાંઓએ તેને ઢાંકી દીધું છે. તેનાં નગરો ઉજ્જડ, નિર્જળ અને રણપ્રદેશ જેવાં બની ગયાં છે. ત્યાં કોઈ વસતું નથી કે પડાવ પણ કરતું નથી. બેબિલોનના દેવ બેલને હું સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે હું ઓકાવી દઈશ. બીજી પ્રજાઓ તેની પૂજા કરવા ત્યાં આવશે નહિ. બેબિલોનનો કોટ તૂટી પડયો છે. હે મારા ઇઝરાયલી લોકો, તમે દરેક જણ ત્યાંથી નાસી છૂટો. મારા ઉગ્ર કોપથી બચવા માટે જીવ લઈને ભાગો. દેશમાં ફેલાતી અફવાઓ સાંભળીને હિંમત હારી જશો નહિ કે ગભરાશો નહિ. દેશમાંથી હિંસાખોરીની અને એક શાસક બીજા શાસક વિરુદ્ધ લડતા હોવાની નવી નવી અફવાઓ દર વર્ષે ઊડશે. તેથી એવો સમય આવશે જ્યારે હું બેબિલોનની મૂર્તિઓને સજા કરીશ. સમગ્ર દેશ લજ્જિત થશે, અને તેના બધા લોકોની કત્લેઆમ થશે, ઉત્તર તરફથી આવેલા લોકોના હાથે બેબિલોનનું પતન થશે. તેનો વિનાશ થશે ત્યારે આકાશ અને પૃથ્વી અને તેમાં આવેલા સૌ કોઈ જયજયકાર કરશે. હું પ્રભુ આ બોલું છું. બેબિલોનને લીધે આખી દુનિયામાં લોકોનો સંહાર થયો છે; અને ઇઝરાયલમાં ક્તલ થયેલા લોકોને લીધે હવે બેબિલોનનું પતન થશે.” આ પ્રભુની વાણી છે. પ્રભુ કહે છે, “તમે સંહારથી બચી ગયા છો, માટે હવે નાસી છૂટો. રાહ જોશો નહિ. તમે વતનથી દૂર છો છતાં મને તમારા પ્રભુને અને યરુશાલેમને યાદ કરો. પણ તમે કહો છો, ‘અમે અપમાનિત થયા છીએ. અમારી નામોશી થઈ છે. અમે મૂંઝાઈ ગયા છીએ. કારણ, પરદેશીઓએ આવીને મંદિરનાં પવિત્રસ્થાનોનો કબજો લીધો છે.’ તેથી હું પ્રભુ કહું છું કે, એવો સમય આવશે જ્યારે હું બેબિલોનની મૂર્તિઓને સજા કરીશ અને ઘવાયેલાનો કણસાટ આખા દેશમાં સંભળાશે. જો કે બેબિલોન આકાશની ટોચે ચઢે અને ત્યાં મજબૂત કિલ્લો બાંધે તો પણ મારા મોકલેલા માણસો તેનો વિનાશ કરવા પહોંચી જશે. હું પ્રભુ એ કહું છું.” પ્રભુ કહે છે, “બેબિલોનમાંથી રુદનનો સાદ આવે છે, અને ખાલદીઓના દેશના વિનાશનો પોકાર સંભળાય છે! હું પ્રભુ, બેબિલોનનો વિનાશ કરું છું, તેમાં થતા ઘોંઘાટનો અંત લાવું છું. ગર્જના કરતા મોજાંની જેમ દુશ્મનોનું લશ્કર કોલાહલ સાથે આક્રમણ કરવા ધસી રહ્યું છે. તેઓ બેબિલોનનો વિનાશ કરવા આવેલા છે. તેના સૈનિકો કેદ પકડાયા છે અને તેમનાં ધનુષ્યોને ભાંગી નાખવામાં આવ્યાં છે. હું ભૂંડાને સજા કરનાર ઈશ્વર છું અને બેબિલોનને યોગ્ય સજા કરીશ. હું તેના શાસકોને, જ્ઞાનીઓને, રાજ્યપાલોને, અધિકારીઓને તથા સૈનિકોને પીવડાવીને ચકચૂર બનાવીશ. તેઓ ચિરનિદ્રામાં પોઢી જશે અને ફરી કદી જાગશે નહિ.” આ તો રાજાની, હા, જેમનું નામ સેનાધિપતિ યાહવે છે તે ઈશ્વરની વાણી છે. વળી, સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; “બેબિલોન નગરના વિશાળ કોટને તોડીને જમીનદોસ્ત કરવામાં આવશે, અને તેના બુલંદ દરવાજાઓને બાળીને ભસ્મ કરવામાં આવશે. આમ, પ્રજાઓએ એના બાંધકામમાં કરેલો સખત પરિશ્રમ વ્યર્થ જશે અને લોકોએ ઉઠાવેલી જહેમત અગ્નિમાં ખાક થઈ જશે.” માહસેયાનો પૌત્ર અને નેરિયાનો પુત્ર સરાયા, સિદકિયા રાજાનો અંગત મંત્રી હતો. યહૂદિયાના રાજા સિદકિયાના રાજ્યકાળના ચોથા વર્ષે સરાયા રાજાની સાથે બેબિલોન ગયો. ત્યારે યર્મિયાએ તેને અમુક કામગીરી સોંપી હતી. યર્મિયાએ બેબિલોન પર આવી પડનાર વિનાશ વિષેના સંદેશા તથા બેબિલોન વિષેની અન્ય બધી વાતો એક પુસ્તકમાં લખી નાખી. પછી યર્મિયાએ સરાયાને કહ્યું, “તું બેબિલોન પહોંચે ત્યારે આ પુસ્તકનો એકેએક શબ્દ લોકો સમક્ષ મોટેથી વાંચી સંભળાવજે. પછી પ્રાર્થના કરજો, ‘હે પ્રભુ, તમે કહ્યું છે તેમ આ જગ્યાનો વિનાશ કરો; જેથી તેમાં માણસો કે પ્રાણીઓ વસે નહિ અને તે કાયમને માટે ઉજ્જડ અને વેરાન રહે.’ હે સરાયા, તું લોકો સમક્ષ આ પુસ્તકનું વાંચન પૂરું કરે એટલે પછી તેને પથ્થરે બાંધીને યુફ્રેટિસ નદીમાં ફેંકી દેજે, અને તું કહેજે, ‘આ જ પ્રમાણે બેબિલોનના હાલ થશે, તે ડૂબી જશે અને ફરી કદી ઉપર આવશે નહિ.’ કારણ, પ્રભુ તેના પર વિનાશ લાવવાના છે.” અહીં યર્મિયાના સંદેશા પૂરા થાય છે. સિદકિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં રહીને અગિયાર વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્ના નગરના વતની યર્મિયાની પુત્રી હતી. યહોયાકીમ રાજાની જેમ સિદકિયા રાજાએ પણ પ્રભુની દષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. યરુશાલેમ અને યહૂદિયાના લોકોએ પ્રભુને એટલા કોપાયમાન કર્યા કે, છેવટે પ્રભુએ તેમને પોતાની નજર આગળથી હાંકી કાઢયા. સિદકિયા રાજાએ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર સામે વિદ્રોહ કર્યો, તેથી સિદકિયાના અમલના નવમા વર્ષના દસમા મહિનાના દસમે દિવસે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે પોતાનું સમગ્ર લશ્કર મોકલીને યરુશાલેમ પર આક્રમણ કર્યું. તેમણે નગરને ઘેરો ઘાલ્યો અને તેની સામે ચારે બાજુએ મોરચા ઊભા કર્યા. સિદકિયા રાજાના અગિયારમા વર્ષ સુધી નગરને ઘેરો ચાલુ રહ્યો. એ જ વર્ષના ચોથા મહિનાના નવમે દિવસે ભૂખમરો હતો અને લોકો પાસે કંઈ ખોરાક બચ્યો નહોતો. તેથી નગરકોટમાં બાકોરું પાડવામાં આવ્યું અને ખાલદીઓનું લશ્કર નગરની ચારેબાજુ ઘેરો ઘાલીને પડયું હોવા છતાં કેટલાક સૈનિકો રાત્રે નાસી છૂટયા. તેમણે રાજઉદ્યાનને માર્ગે બે દીવાલોની વચ્ચેના પ્રવેશદ્વાર મારફતે અરાબા એટલે યર્દનના ખીણપ્રદેશ તરફ નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ખાલદીઓના સૈન્યે સિદકિયાનો પીછો કર્યો અને તેને યરીખોના મેદાનમાં પકડી પાડયો; અને તેના બધા સૈનિકો તેને છોડીને આમતેમ નાસી ગયા. નબૂખાદનેસ્સાર રાજા ત્યારે રિબ્લા નગરમાં હતો. તેથી તેઓ સિદકિયાને ત્યાં તેની પાસે લઈ ગયા. નબૂખાદનેસ્સારે ત્યાં સિદકિયાને આવી સજા ફટકારી. રિબ્લા નગરમાં બેબિલોનના રાજાએ સિદકિયાના પુત્રોને તેની નજર સામે જ મારી નંખાવ્યા, અને રિબ્લા લાવવામાં આવેલા યહૂદિયાના જુદા જુદા અધિકારીઓને પણ મારી નંખાવ્યા. ત્યાર પછી તેણે સિદકિયાની આંખો ફોડી નંખાવી અને તેને સાંકળોથી બાંધીને બેબિલોન લઈ ગયો અને તેના મૃત્યુપર્યંત ત્યાં તેને કેદમાં રાખ્યો. બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના અમલના ઓગણીસમા વર્ષના પાંચમા મહિનાના દસમે દિવસે બેબિલોનના રાજાના અંગત સલાહકાર અને અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને યરુશાલેમમાં પ્રવેશ કર્યો. તેણે પ્રભુનું મંદિર, રાજમહેલ અને યરુશાલેમનાં મોટાં મોટાં બધાં મકાનો બાળી નાખ્યાં. વળી, અંગરક્ષકદળના વડાના નિયંત્રણ હેઠળના ખાલદીઓના લશ્કરે યરુશાલેમની ચારે બાજુના કોટની બધી દીવાલો તોડી પાડી. અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને, બેબિલોન રાજાના શરણે ગયેલા લોકોને અને બાકી રહેલા કુશળ કારીગરોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો. પરંતુ તેણે દેશના સાવ કંગાલ લોકોને દ્રાક્ષવાડીઓ સાચવવા અને ખેતરમાં મજૂરી કરવા માટે ત્યાં રહેવા દીધા. ખાલદીઓએ પ્રભુના મંદિરના તાંબાનાં સ્તંભો, જળગાડીઓ અને જળકૂંડ ભાંગી નાખ્યા અને બધું તાંબુ બેબિલોન લઈ ગયા. વળી, તેઓ મંદિરમાં સેવાના કામને માટે વપરાતાં ભસ્મપાત્રો, પાવડા, સાણસા, રક્તપાત્રો, ધૂપપાત્રો અને તાંબાંનાં અન્ય તમામ વાસણો પણ લઈ ગયા. તે ઉપરાંત અંગરક્ષકદળનો વડો સોનાતચાંદીનાં પાત્રો એટલે પ્યાલા, અંગારપાત્રો, રક્તપાત્રો, ભસ્મપાત્રો, દીવીઓ, ચમચા અને કટોરા આ બધું જ લઈ ગયો. શલોમોન રાજાએ પ્રભુના મંદિર માટે બનાવેલા બે સ્તંભો, એક જળકૂંડ અને તેને ટેકો આપતા તેની નીચેના બાર તાંબાના બાર આખલામાં એટલું બધું તાંબુ વપરાયેલું હતું કે તેનું વજન અણતોલ હતું. બન્‍ને સ્તંભ એક્સરખા હતા; દરેક સ્તંભ આશરે 8 મીટર ઊંચો હતો; અને તેનો પરિઘ 5.4 મીટર હતો. સ્તંભ અંદરથી પોલો હતો અને તેની દીવાલની જાડાઈ આશરે 10 સેન્ટીમીટર હતી. તેની ઉપર તાંબાનો કળશ હતો જે આશરે 2.3 મીટર ઊંચો હતો. કળશની આસપાસ તાંબાનું ઝીણું નકશીકામ અને તાંબાનાં દાડમનું કોતરકામ હતું; દરેક સ્તંભના નકશીકામમાં સો દાડમો વર્તુળાકારે ગોઠવેલા હતા; એમાંનાં છન્‍નું દાડમો નીચેથી જોઈ શક્તાં હતાં. તે ઉપરાંત, અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન મુખ્ય યજ્ઞકાર સરાયાને, તેનાથી બીજા દરજ્જાના યજ્ઞકાર સફાન્યાને અને મંદિરના બીજા ત્રણ દ્વારપાળ યજ્ઞકારોને પણ લઈ ગયો. વળી, તેણે નગરમાંથી સેનાપતિને, નગરમાં ઉપસ્થિત રાજાના સાત અંગત સલાહકારોને, લશ્કરની ભરતીનું કામ કરનાર સેનાનાયકને અને નગરના જમીનદાર વર્ગના અગ્રગણ્ય સાઠ માણસોને પકડી લીધા. નબૂઝારઅદાન એ બધાને કેદ કરીને હમાથ પ્રદેશના રિબ્લા નગરમાં બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે લઈ ગયો! ત્યાં બેબિલોનના રાજાએ તેમને મારપીટ કરીને મારી નંખાવ્યા. આ પ્રમાણે યહૂદિયાના લોકો બંદી થઈને બેબિલોનમાં દેશનિકાલ કરાયા. નબૂખાદનેસ્સારે જેમને દેશનિકાલ કર્યા તેમની સંખ્યા આ પ્રમાણે હતી: તેના રાજના સાતમા વર્ષમાં 3023 માણસો. અઢારમાં વર્ષમાં 832 માણસો અને તેવીસમા વર્ષમાં 745 માણસો નબૂઝારઅદાન દ્વારા બેબિલોનમાં દેશનિકાલ થયા. બધા મળીને કુલ 4600 માણસો લઈ જવામાં આવ્યા. યહૂદિયાના રાજા યહોયાખીનના દેશનિકાલના સાડત્રીસમા વર્ષના બારમા મહિનાના પચીસમા દિવસે બેબિલોનના રાજા એવીલ-મેરોદાખે તેના રાજ્યાભિષેકના વર્ષમાં યહોયાખીન પ્રત્યે સદ્ભાવ દાખવ્યો અને તેને કેદમાંથી મુક્ત કર્યો. એવીલ-મેરોદાખે તેની સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરી અને બેબિલોનમાં દેશનિકાલ કરાયેલા જે બીજા રાજાઓ હતા તેમના કરતાં તેને વિશેષ ઊંચું સ્થાન આપ્યું. તેથી યહોયાખીનનાં કેદી તરીકેનાં વસ્ત્રો બદલાવી નાખવામાં આવ્યાં અને તે તેના બાકીના જીવનમાં રાજાની સાથે ભોજન લેતો હતો. તેને તેના જીવનનિર્વાહ માટે બેબિલોનના રાજા તરફથી નિયત કરેલું દૈનિક ભથ્થું જીવનભર આપવામાં આવ્યું; જે તેને તેના મૃત્યુના દિવસ સુધી મળતું રહ્યું. એક સમયે યરુશાલેમમાં ભરચક વસ્તી હતી, પણ અત્યારે તે સાવ નિર્જન બની ગયું છે. એક સમયની અગ્રગણ્ય મહાનગરી આજે વિધવા થઈ બેઠી છે. પ્રાંતોમાં જે રાણી જેવી હતી, તે હવે ગુલામડી બની ગઈ છે. આખી રાત તે કલ્પાંત કરે છે, તેના ગાલ પરથી આંસુ દદડયા કરે છે. તેના જૂના આશકોમાંનો કોઈ તેને આશ્વાસન આપવા આવ્યો નથી. તેના સાથીઓએ તેને દગો દીધો છે, અને હવે બધા તેના દુશ્મન બન્યા છે. ભારે પીડા ભોગવીને અને સખત વેઠ કરીને યહૂદિયાના લોકો બંદીવાસમાં ગયા છે. તેઓ પરાયા પ્રદેશમાં વસે છે અને એમનું કોઈ ઠામઠેકાણું નથી. પીછો કરનાર દુશ્મનો તેમની આસપાસ ફરી વળ્યા છે અને નાસી છૂટવાનો કોઈ માર્ગ નથી. પવિત્ર પર્વોના દિવસોમાં ભજનને માટે મંદિરમાં કોઈ આવતું નથી. તેથી સિયોનના સૂના માર્ગો શોક કરે છે. સિયોનની ગાનારી યુવતીઓ દુ:ખથી કણસે છે અને તેના યજ્ઞકારો નિસાસા નાખે છે. શહેરના દરવાજા સૂના પડયા છે. તેના દુશ્મનો તેના શાસકો બન્યા છે; તેના શત્રુઓ નિરાંત ભોગવી રહ્યા છે. તેના અપરાધોને લીધે પ્રભુએ તેને દુ:ખ દીધું છે. તેનાં સંતાનોને બંદી તરીકે લઈ જવાયાં છે. યરુશાલેમનો વૈભવ હવે ભૂતકાળની બાબત બની ગઈ છે. તેના આગેવાનો ભૂખથી નિર્બળ થઈ ગયેલા હરણના જેવા થયા છે. શિકારીના હાથમાંથી છટકી જવા જેટલી તાક્ત તેમનામાં રહી નથી. નિર્જન ખંડિયેર બની ગયેલું યરુશાલેમ પોતાના પ્રાચીન વૈભવને સંભારે છે. શત્રુઓએ સિયોનનો વિનાશ કર્યો ત્યારે તેની મદદ કરનાર કોઈ નહોતું. તેના પતનને લીધે તેના વિજેતાઓ તેની હાંસી ઉડાવે છે. યરુશાલેમે અઘોર પાપ કર્યું. એનાથી એ નગરી મલિન બની છે. તેનું સન્માન કરનારા હવે તેને વખોડે છે, કારણ, તેમણે તેની નગ્નતા જોઈ છે. તે નિસાસા નાખે છે અને શરમથી પોતાનું મોં છુપાવે છે. તેની મલિનતા તેનાં વસ્ત્ર પર ચોંટેલી છે. છતાં તેણે પોતાની આખરી અવસ્થાનો વિચાર કર્યો નહિ. તેનું પતન ભયાનક હતું, તેને દિલાસો દેનાર કોઈ નહોતું. તેના દુશ્મનોનો વિજય થયો છે અને તે દયા માટે પ્રભુને પોકારે છે. તેના દુશ્મનોએ તેના બધા ખજાના લૂંટી લીધા છે. મંદિરમાં જ્યાં પ્રભુએ બિનયહૂદીઓને પ્રવેશની મના ફરમાવી હતી, ત્યાં તે તેમને જતા જુએ છે. તેના લોક ખોરાકની શોધમાં નિસાસા નાખે છે. જીવવાને માટે ખોરાકને સારુ તેમણે પોતાની કિંમતી વસ્તુઓ આપી દીધી છે. નગર પોકારે છે, “હે પ્રભુ, મારા તરફ જુઓ, મારા દુ:ખમાં મને નિહાળો.” માર્ગે જતા આવતા દરેકને તે પોકારે છે: “મારા તરફ જુઓ. મારા જેવું દુ:ખ કોઈને કદી પડયું નથી. પ્રભુએ પોતાના કોપમાં મને એ દુ:ખ દીધું છે. “તેમણે ઉપરથી અગ્નિ મોકલ્યો, અને એ અગ્નિ મારામાં સળગ્યા કરે છે. તેમણે મારે માટે ફાંદો ગોઠવ્યો અને મને જમીન પર પાડી નાખી. તે પછી તેમણે મને તજીને સતત દુ:ખમાં ધકેલી દીધી. “તેમણે મારાં બધાં પાપ લક્ષમાં લીધાં અને તેમને એક સાથે બાંધ્યાં. પછી તેમણે તે મારી ગરદન પર લટકાવ્યાં અને તેના ભારથી હું નિર્બળ થઈ ગઈ. પ્રભુએ મને મારા શત્રુઓના હાથમાં સોંપી દીધી અને હું નિ:સહાય બની ગઈ. “પ્રભુએ મારા સૌ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા યુવાનોનો સંહાર કરવા તેમણે સૈન્ય મોકલ્યું. દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદાય તેમ તેમણે મારા લોકને કચડી નાખ્યા છે. “તેથી મારી આંખોમાંથી આંસુ વહે છે. કોઈ મને દિલાસો દેતું નથી; કોઈ મને હિંમત આપતું નથી. દુશ્મનોએ મને હરાવી છે; મારા લોક નિરાધાર થયા છે. “હું મારા હાથ લાંબા કરું છું, પણ કોઈ મને મદદ કરતું નથી. પ્રભુએ ચારે બાજુથી મારી વિરુદ્ધ દુશ્મનો બોલાવ્યા છે. હું જાણે મેલાં ચીંથરાં જેવી હોઉં તેમ તેઓ મારી સાથે વર્તે છે. “પ્રભુ ન્યાયી છે. કારણ, હું તેમને આધીન થઈ નથી. હે સર્વ લોકો, મારું સાંભળો. મારા દુ:ખમાં મને નિહાળો. મારાં યુવાન - યુવતીઓ બંદીવાસમાં લઈ જવાયાં છે. “મેં મારા આશકોને બોલાવ્યા, પણ તેમણે મને મદદ કરવાની ના પાડી દીધી. યજ્ઞકારો અને આગેવાનો જીવવા માટે ખોરાકની શોધમાં હતા ત્યારે શહેરના રસ્તા પર માર્યા ગયા. “હે પ્રભુ, મારા મનની પીડા અને આત્માનું દુ:ખ જુઓ; મારા પાપને લીધે શોકમાં મારું હૃદય ભાંગી પડયું છે. રસ્તાઓ પર ખૂન થાય છે અને ઘરમાં મરણ થાય છે. “મારા નિસાસા સાંભળો; કોઈ મને દિલાસો દેતું નથી. તમે મારા પર આપત્તિ લાવ્યા છો સાંભળીને મારા દુશ્મન હર્ષ પામે છે. તમારા આપેલા વચન પ્રમાણે એ દિવસ લાવો કે જ્યારે મારી માફક તેમને પણ દુ:ખ પડે. “તેઓ તેમની સઘળી દુષ્ટતાને લીધે દોષિત ઠરો. મારા પાપને લીધે તમે મને શિક્ષા કરી, તેમ તેમને પણ કરો. હું દુ:ખમાં નિસાસા નાખું છું. મારું હૃદય નિર્ગત થયું છે પ્રભુએ પોતાના ક્રોધમાં સિયોનને અંધકારથી ઢાંકી દીધું છે. ઇઝરાયલની ગૌરવસમી નગરીને તેમણે ખંડિયેરમાં ફેરવી નાખી છે. પોતાના ક્રોધના દિવસે તેમણે પોતાના મંદિરની પણ પરવા કરી નથી. પ્રભુએ યહૂદિયાનાં બધાં ગામોનો નિર્દયપણે નાશ કર્યો છે, અને દેશના સંરક્ષક કિલ્લાઓ તોડી પાડયા છે. તેમણે રાજા અને તેમના અધિકારીઓને બદનામ કર્યા છે. તેમણે પોતાના ક્રોધમાં ઇઝરાયલની તમામ તાક્ત ભાંગી નાખી છે. દુશ્મન ચડી આવ્યો ત્યારે તેમણે મદદ કરવાની ના પાડી દીધી. ચારેકોર ફરી વળતા ભડભડતા અગ્નિની જેમ પોતાના કોપાગ્નિમાં તેમણે સઘળાંનો નાશ કર્યો છે. દુશ્મનની માફક તેમણે પોતાના બળવાન હાથે પોતાનું ધનુષ્ય અમારા તરફ ખેંચ્યું છે. અમારા હર્ષાનંદસમા સૌને તેમણે મારી નાખ્યા છે. અહીં યરુશાલેમમાં તેમનો કોપાગ્નિ રેડાયો છે. પ્રભુએ એક શત્રુની જેમ ઇઝરાયલનો નાશ કર્યો છે. તેમણે તેના કિલ્લાઓ અને મહેલોને ખંડિયેર કર્યા છે. તેમણે યહૂદિયાના લોક પર ભારે દુ:ખ મોકલ્યું છે. જ્યાં અમે તેમનું ભજન કરતા હતા તે મંદિરના તેમણે ભુકા બોલાવી દીધા છે. તે પવિત્ર દિવસો અને સાબ્બાથોનો અંત લાવ્યા છે. પોતાના ક્રોધાવેશમાં તેમણે રાજા અને યજ્ઞકારોનો તિરસ્કાર કર્યો છે. પ્રભુએ પોતાની વેદીનો નકાર કર્યો છે અને પોતાના પવિત્ર મંદિરનો ત્યાગ કર્યો છે. તેમણે દુશ્મનોને તેની દીવાલો તોડી પાડવાનું કામ સોંપ્યું છે. એકવાર જ્યાં અમે આનંદોત્સવ કરતા હતા, ત્યાં દુશ્મનોનો જયઘોષ થઈ રહ્યો છે. પ્રભુએ સિયોનના કોટ તોડી પાડવાનું નક્કી કર્યું છે. તેનો સંપૂર્ણ નાશ કરવા તેમણે દોરી લંબાવીને તેનું માપ લીધું છે. મિનારા અને દીવાલો એક સાથે ખંડિયેર બન્યાં છે. દરવાજાઓ જમીનદોસ્ત થયા છે અને એમના લાકડાના દાંડાઓના ટુકડેટુકડા થઈ ગયા છે. રાજા અને અધિકારીઓ બંદીવાસમાં લઈ જવાયા છે. હવે ત્યાં નિયમશાસ્ત્રનું શિક્ષણ અપાતું નથી અને સંદેશવાહકોને પ્રભુ તરફથી સંદર્શન થતાં નથી. યરુશાલેમના વૃદ્ધો જમીન પર મૂંગે મોંએ બેઠા છે. તેમણે પોતાના માથા પર ધૂળ નાખી છે અને શરીર પર તાટ વીંટાળ્યું છે. યુવતીઓએ પોતાનાં માથાં જમીન સુધી ઢાળી દીધાં છે. રુદનને લીધે મારી આંખોનું તેજ ઘટી ગયું છે, અને મારું દિલ દુ:ખી છે. મારા લોકની પાયમાલી થઈ છે અને તેના દુ:ખમાં હું નિર્ગત થઈ ગયો છું. શહેરના માર્ગો પર કિશોરો અને નાનાં બાળકો મૂર્છા પામે છે. ભૂખ્યાં અને તરસ્યાં તેઓ તેમની માતાને પોકારે છે. જાણે ઘાયલ થયાં હોય તેમ તેઓ રસ્તા પર પટકાઈ પડે છે, અને ધીમે ધીમે પોતાની માતાના ખોળામાં મરણ પામે છે. હે યરુશાલેમ, પ્રિય યરુશાલેમ, હું શું કહું? હું કેવી રીતે તને દિલાસો આપું? કોઈને ક્યારેય આવું દુ:ખ પડયું નહિ હોય. સમુદ્ર સમી તારી આપત્તિનો કોઈ આરો કે ઉપાય નથી. તારા સંદેશવાહકો પાસે જૂઠ સિવાય બીજું કંઈ કહેવાનું હતું જ નહિ. પોતાના ઉપદેશમાં તેમણે તારાં પાપ વખોડયાં નહિ; એમ કરીને તેમણે તને છેતરી છે. તેમણે તને એવું વિચારતી કરી કે તારે પાપથી પાછા ફરવાની જરૂર નથી. હે યરુશાલેમ, તારી પાસે થઈને પસાર થતા લોકો તાળીઓ દઈને તારી મશ્કરી ઉડાવે છે. તેઓ માથું ધૂણાવતાં તારા પર ફિટકાર વરસાવે છે: “શું આ એ જ સુંદરતમ શહેર છે? આખી દુનિયાના ગૌરવસમું શહેર શું આ છે?” તારા બધા દુશ્મનો તારી મોટેથી મશ્કરી કરે છે અને ધિક્કારે છે. તેઓ હોઠ દબાવીને અને દાંત પીસીને કહે છે, “અમે તેનો નાશ કર્યો છે. આ જ દિવસની અમે રાહ જોતા હતા. અમને એ દિવસ જોવા મળ્યો છે.” પ્રભુએ તો છેવટે પોતે ઉચ્ચારેલી ધમકી પ્રમાણે તેમણે જે કરવા ધાર્યું હતું તે કર્યું છે. ઘણા લાંબા સમય પહેલાં તેમણે આપેલી ચેતવણી પ્રમાણે તેમણે નિદર્યપણે આપણો નાશ કર્યો છે. આપણા દુશ્મનોને તેમણે વિજય પમાડયો છે અને આપણા પતન પર તેમને હરખાવા દીધા છે. ઓ યરુશાલેમ, તારા કોટ પ્રભુને પોકારી ઊઠો! તારાં આંસુ નદીની જેમ રાતદિવસ વહ્યા કરો! તું હમેશાં રુદન અને શોક કરતી રહે. આખી રાત પ્રભુને વારંવાર પોકાર, તારાં બાળકો પર તે દયા દાખવે તે માટે તારું હૃદય ખોલીને પોકાર કર; કારણ, રસ્તાઓ પર તારાં બાળકો ભૂખે મરે છે. હે પ્રભુ, જરા જુઓ તો ખરા કે તમે કોને આવું દુ:ખ દઈ રહ્યા છો? સ્ત્રીઓ પોતાનાં પ્રિય બાળકોનું માંસ ખાય છે. યજ્ઞકારો અને સંદેશવાહકો મંદિરમાં જ મારી નંખાયા છે. યુવાન કે વૃદ્ધ, સૌ કોઈ શેરીઓમાં રસ્તા પર મરણ પામેલાં પડયાં છે. દુશ્મને તલવારની ધારે યુવાનો અને યુવતીઓનો સંહાર કર્યો છે. તમારા કોપના દિવસે તમે તેમની નિર્દય ક્તલ થવા દીધી છે. મારી સામે ઉગ્ર જંગ ખેલવાને તમે મારા શત્રુઓને મારી આસપાસ પર્વની ભીડની જેમ એકઠા કર્યા છે અને તમારા કોપને દિવસે કોઈ છટકી શક્તો નથી. જેમને મેં ઉછેર્યાં એવાં મારાં પ્રિય બાળકોનો તેમણે સંહાર કર્યો છે. હું એક એવો માણસ છું કે જે ઈશ્વરની સજા કેવી આકરી હોય છે તે જાણે છે. તેમણે મને અંધકારમાં ઊંડેઊંડે ધકેલી દીધો છે, અને તે મને આખો દિવસ ફટકાર્યા કરે છે. તેમણે મારી ચામડી ઉખાડી નાખી છે, મારું માંસ બહાર ખેંચી કાઢયું છે અને મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે. તેમણે મને શોકમાં ઘેરી લીધો અને દુ:ખની ભીંસમાં લીધો છે. તેમણે મને લાંબા સમયથી મરી ચૂકેલા માણસની જેમ મરણના ઘોર અંધકારમાં ધકેલી દીધો છે. તેમણે મને સાંકળોથી બાંધ્યો છે; છુટકારાની કોઈ આશા ન હોય એવા કેદી જેવો હું છું. હું મોટેથી મદદને માટે પોકારું છું, પણ ઈશ્વર મારી પ્રાર્થના સાંભળતા નથી. ચાલતાં ચાલતાં હું લથડિયાં ખાઉં છું; કારણ, જ્યાં જ્યાં હું ફરું ત્યાં ત્યાં પથ્થરની દીવાલોએ મને ઘેરી લીધો છે. સંતાયેલા રીંછની માફક તે મારી રાહ જુએ છે અને સિંહની માફક લપાઈને તે મારા પર તરાપ મારે છે. તેમણે મને રસ્તામાં ઝડપી લીધો અને મને ફાડીચીરીને છોડી દીધો. તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે અને મને તેમના તીરનું નિશાન બનાવ્યો છે. પોતાનાં તીરથી તે મારા અભ્યંતરને છેદી નાખે છે. આખો દિવસ બધા લોકો મારી હાંસી ઉડાવે છે. તેઓ બધા મારા વિષે મશ્કરીનાં ગીત ગાય છે. તેમણે મને માત્ર નાગદમનીના છોડની કડવાશ જેવાં ઝેરી દુ:ખ દીધાં છે; એ જ મારાં આહારપાણી બન્યાં છે. મારા મુખને કાંકરામાં ઢસડીને તેમણે મારા દાંત ભાંગી નાખ્યા છે અને મને રાખમાં રગદોળ્યો છે. મારા મનને નથી અને સુખ સમૃદ્ધિ શું છે તે હું ભૂંલી ગયો છું. હવે હું બહુ લાંબુ જીવવાનો નથી અને પ્રભુ પરની મારી આશા નષ્ટ થઈ છે. મારી વ્યથા અને મારી રઝળપાટના વિચારો કીરમાણીના છોડના કડવા ઝેર જેવા છે. હું નિરંતર એના વિચાર કરું છું, તેથી મારો આત્મા હતાશ થઈ ગયો છે. છતાં એક વાતનો વિચાર મારામાં આશા જન્માવે છે. એટલે કે, પ્રભુનો અવિરત પ્રેમ અને તેમની અખૂટ દયા. એ તો સવારની જેમ હમેશાં તાજાં હોય છે. તેમનું વિશ્વાસુપણું સાચે જ મહાન છે. પ્રભુ મારું સર્વસ્વ છે; તેમના પર મારી આશા છે. જેઓ તેમના પર ભરોસો રાખીને તેમને શોધે છે તેઓ પ્રત્યે પ્રભુ ભલા છે. તેથી તે આપણો ઉદ્ધાર કરે તે માટે ધીરજથી તેમની રાહ જોવી એ આપણે માટે ઉત્તમ છે. એવી ધીરજ ધરવામાં યુવાવસ્થા દરમ્યાન શિક્ષણની ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે. આપણે સહન કરવાનું આવે ત્યારે એકાંતમાં શાંત બેસી રહેવું જોઈએ. આપણે આધીન થઈને નમી જવું જોઈએ, એથી કદાચ આપણે માટે આશા હોય પણ ખરી. આપણે મારનારને ગાલ ધરવો જોઈએ અને અપમાન સહી લેવાં જોઈએ. પ્રભુ દયાળુ છે. તે આપણને કાયમને માટે નકારી કાઢશે નહિ. જો કે તે આપણા પર દુ:ખ લાવે, તોય તે દયા દાખવશે, કારણ, આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ અવિચળ છે. આપણને દુ:ખ કે પીડા દેવામાં તેમને કંઈ આનંદ થતો નથી. આપણા આત્માઓને કેદમાં ક્યારે કચડવામાં આવે છે તે પ્રભુ જાણે છે. તેમણે આપણને આપેલા હકો ક્યારે ડૂબાવી દેવામાં આવે છે તે તે જાણે છે. અદાલતમાં આપણને ક્યારે ન્યાયથી વંચિત રાખવામાં આવે છે તે ય પ્રભુ જાણે છે. પ્રભુએ નિર્મિત કર્યું હોય એ સિવાય કોઈથીય કશું કરી શકાય છે? સર્વોચ્ચ ઈશ્વરની આજ્ઞાથી જ સારું કે માઠું બને છે ને? આપણને આપણા પાપને લીધે શિક્ષા થઈ હોય તો આપણે શા માટે ફરિયાદ કરવી જોઈએ? આપણે આપણા માર્ગો તપાસીએ તથા પારખીએ અને પ્રભુ તરફ પાછા ફરીએ. આકાશમાંના ઈશ્વર તરફ આપણા હાથો ઊંચા કરીએ એટલું જ નહિ, પણ સાથે આપણાં હૃદયો ખુલ્લાં કરીએ અને આવી પ્રાર્થના કરીએ: “હે પ્રભુ, અમે પાપ કર્યું છે અને તમારી વિરુદ્ધ બળવો કર્યો છે પણ તમે અમને ભૂલી ગયા નથી.” તમે તમારા રોષમાં અમારો પીછો કર્યો અને અમારી નિર્દય ક્તલ કરી છે. તમારા ક્રોધમાં તમારી દયા ઢંકાઈ ગઈ હતી. તમે કોપના વાદળ પાછળ છુપાઈ ગયા હતા; તેથી અમારી પ્રાર્થનાઓ પેલે પાર જઈ શકી નહિ. તમે અમને દુનિયા આખીનો ઉકરડો બનાવ્યા છે. અમારા બધા દુશ્મનો અમારી ઠઠ્ઠા મશ્કરી કરે છે. અમારા પર આફત અને વિનાશ આવી પડયાં છે અને અમે ભય તથા બીકમાં જીવીએ છીએ. મારા લોકના વિનાશને લીધે મારી આંખોમાંથી આંસુની નદીઓ વહી જાય છે. પ્રભુ આકાશમાંથી કૃપાદષ્ટિ કરે ત્યાં સુધી મારી આંખોમાંથી ચોધાર આંસુઓ નિરંતર વહ્યા કરશે. *** શહેરની યુવતીઓની જે દશા થઈ છે તે જોઈને મારું હૃદય દુ:ખી દુ:ખી થઈ ગયું છે. મને ધિક્કારવાનું કોઈ કારણ ન હોવા છતાં મારા શત્રુઓ પક્ષીની માફક મારી પાછળ પડયા છે. તેમણે મને જીવતો ખાડામાં નાખી દીધો અને ખાડો પથ્થરથી બંધ કરી દીધો. મારી ઉપર પાણી ફરી વળ્યાં એટલે હું બોલી ઊઠયો, “મારું મોત નજીક આવી પહોંચ્યું છે.” હે પ્રભુ, ખાડાના તળિયેથી મેં તમને પોકાર કર્યો; મારો પોકાર સાંભળવા મેં તમને બૂમ પાડી, ત્યારે તમે તે સાંભળ્યું. તમે મને જવાબ આપતાં કહ્યું, “બીશ નહિ.” હે પ્રભુ, તમે મારા બચાવને માટે આવ્યા અને મારા જીવનનો ઉદ્ધાર કર્યો છે. હે પ્રભુ, મારા પક્ષમાં ન્યાય આપો. કારણ, મારી વિરુદ્ધ થયેલો અન્યાય તમે જાણો છો. મારા શત્રુઓની વેરભાવના અને મારી વિરુદ્ધનાં તેમનાં કાવતરાં તમે જાણો છો. હે પ્રભુ, તમે તેમને મારી નિંદા કરતા સાંભળ્યા છે. તમે તેમનાં બધાં કાવતરાં જાણો છો. તેઓ આખો દિવસ મારા વિષે વાત કરે છે અને મારી વિરુદ્ધ કાવાદાવા કરે છે. બેસતાં કે ઊઠતાં, તેઓ સતત મારી મશ્કરી કર્યા કરે છે. હે પ્રભુ, તેમના કાર્ય પ્રમાણે તેમને સજા કરો. તમે તેમને શાપ આપો અને નિરાશામાં ધકેલી દો. તમારા કોપથી તેમનો શિકાર કરો અને પૃથ્વી પરથી તેમને નષ્ટ કરો. આપણું ચળકતું સોનું કેવું ઝાંખું પડયું છે! કુંદન કેવું બદલાઈ ગયું છે! મંદિરના પથ્થરો રસ્તાઓ પર વેરવિખેર પડેલા છે. સિયોનના યુવાનો સોના જેવા કીમતી હતા; પણ હવે કુંભારે બનાવેલાં માટીનાં પાત્રો જેવાં સામાન્ય બની ગયા છે. વરુ પણ પોતાનાં બચ્ચાંને સ્તનપાન કરાવે છે, પણ મારા લોક પોતાનાં બાળકો પ્રત્યે શાહમૃગ જેવા નિર્દયી થયા છે. ધાવણા બાળકની જીભ તરસને લીધે તાળવે ચોંટી જાય છે; બાળકો ખોરાક માટે ભીખ માગે છે, પણ કોઈ તેમનું કશું આપતું નથી. એકવાર ઉત્તમ વાનગીઓ ખાનારા લોકો રસ્તાઓ પર ભૂખે મરે છે. રાજવી વૈભવમાં ઉછરેલા લોકોએ ઉકરડાનો સહારો લીધો છે. ઈશ્વરના હાથે સદોમનો એકાએક નાશ થયો હતો; છતાં મારા લોકને તો તેના કરતાં પણ વધુ સજા થઈ છે. અમારા રાજકુંવરો હિમ કરતાં સ્વચ્છ અને દૂધ કરતાં ધોળા હતા. તેમનાં શરીર માણેક જેવાં રાતાંમાતાં હતાં; તેમનું રૂપ નીલમ જેવું હતું. પણ હવે તેઓ રસ્તાઓ પર ઓળખી ન શકાય તેવી રીતે પડેલા છે. મૃત્યુને લીધે તેમનાં મોં કાળાંમેશ થઈ ગયાં છે. તેમની ચામડી સૂકાં લાકડાં જેવી થઈ ગઈ છે અને તેમનાં હાડકાં પર વળગી રહી છે. લડાઈમાં માર્યા ગયેલા કરતાં પાછળથી ભૂખે મરી ગયેલાંની દશા વધારે બૂરી થઈ છે. અનાજ નહિ પાકવાને કારણે તેઓ ભૂખથી ધીમે ધીમે મરણને શરણ થયા છે. મારા લોક પર આવેલી આફત ભયંકર છે. પ્રેમાળ માતાઓએ પોતાનાં જ બાળકોને ખોરાકને માટે બાફયાં છે. પ્રભુએ પોતાનો ઉગ્ર કોપ પૂરેપૂરો ઉતાર્યો છે. સિયોનમાં તેમણે આગ લગાડી છે, જેનાથી તે બળીને ભસ્મીભૂત થયું છે. દુશ્મનો ચઢાઈ કરીને યરુશાલેમના દરવાજાઓમાં પ્રવેશ કરશે એવું પરદેશી પ્રજાઓના રાજાઓ કે બીજા કોઈએ પણ માન્યું નહોતું. પણ તેના સંદેશવાહકો અને યજ્ઞકારોએ નિર્દોષને મારી નાખવાનું પાપ કર્યું હોવાથી એવું બન્યું છે! તેના આગેવાનો રસ્તાઓ પર આંધળાની માફક રખડે છે; તેઓ રક્તથી ખરડાયેલા હોવાથી કોઈ તેમને અડકતું નથી. લોકો પોકારે છે: “દૂર હટો! દૂર હટો! તમે અશુદ્ધ છો; અમને સ્પર્શ કરશો નહિ.” તેથી તેઓ એક દેશથી બીજા દેશમાં રઝળે છે, પણ તેમને કોઈ રહેવા દેતું નથી. પ્રભુએ તેમની કંઈ દરકાર રાખી નથી. તેમણે જ તેમને વેરવિખેર કર્યા છે. તેમણે યજ્ઞકારો અને આગેવાનો પર કંઈ દયા રાખી નથી. ચોકીના બુરજ પરથી મદદની વાટ જોઈ જોઈને અમારી આંખો થાકી ગઈ, પણ અમને કંઈ મદદ મળી નહિ. અમે તો અમને મદદ કરી શકે નહિ એવા દેશની પાસે પણ મદદની આશા રાખી હતી. દુશ્મનો અમારા પર ચાંપતી નજર રાખતા હતા; તેથી અમે અમારા રસ્તાઓ પર પણ ફરી શક્તા નહોતા. અમારા દિવસો પૂરા થયા છે; અમારો અંત નજીક આવી પહોંચ્યો છે. અમારો પીછો કરનારા આકાશમાંથી તરાપ મારતા ગરુડ કરતાં પણ વધુ વેગીલા હતા. તેઓ પર્વતો પર અમારી પાછળ પડયા; વેરાન પ્રદેશમાં તેમણે અમને અચાનક પકડી પાડયા. અમારા જીવનના આધાર સમો પ્રભુનો અભિષિક્ત દુશ્મનોના ફાંદામાં ફસાઈ ગયો. અમારા એ રાજા વિષે અમે તો એવું બોલતા હતા કે તેની છત્રછાયા નીચે અમે આસપાસની પ્રજાઓ મધ્યે સલામત રહીશું. હે અદોમ અને ઉસ નગરના લોકો, હર્ષ તથા આનંદ કરો! તમારા પર પણ આફત આવે છે! તમે પણ વસ્ત્રહીન અને લજિજત થઈને લથડિયાં ખાશો. સિયોનને તેના પાપની સજા પૂરી થઈ છે. પ્રભુ આપણને બંદીવાસમાં વધુ સમય રાખશે નહિ. પણ હે અદોમ, પ્રભુ તને સજા કરશે; તે તારાં પાપ ખુલ્લાં કરશે. હે પ્રભુ, અમારા પર જે આવી પડયું છે તે યાદ કરો. અમારી તરફ જુઓ અને અમારું અપમાન નિહાળો. અમારો દેશ પારકાઓના હાથમાં ગયો છે અમારાં ઘરોમાં પરદેશીઓ રહે છે. અમે અનાથ બન્યા છીએ, અમારા પિતાઓને દુશ્મને મારી નાખ્યા છે; અમારી માતાઓ વિધવા થઈ છે. અમારે પીવાનું પાણીય વેચાતું લેવું પડયું છે. બળતણ માટેનું લાકડુંય અમારે ખરીદવું પડયું છે. અમારી ગરદનો પર ઝૂંસરી મૂકી અમને હાંકવામાં આવ્યા છે, વૈતરું કરીને અમે થાકી ગયા છીએ, પણ અમને આરામ લેવા દેવામાં આવતો નથી. જીવતા રહેવા ખોરાકને માટે અમે ઇજિપ્ત ને આશ્શૂરની પાસે ભીખ માગી છે. અમારા પૂર્વજોએ પાપ કર્યું, પણ તેમના પાપને લીધે અમે દુ:ખ સહન કરીએ છીએ. ગુલામ જેવા માણસો અમારા પર રાજ કરે છે અને અમને તેમની સત્તામાંથી છોડાવનાર કોઈ નથી. ખૂનીઓ સીમ વિસ્તારમાં ધૂમ્યા કરે છે, તેથી અનાજને માટે અમારે ખેતરોમાં જવા જીવનું જોખમ વહોરવું પડે છે. ભૂખના માર્યા અમે તાવથી એવા તપ્યા છીએ કે અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે. સિયોન પર્વત પર અમારી સ્ત્રીઓ પર બળાત્કાર થયા છે; અને યહૂદિયાનાં દરેક ગામમાં અમારી દીકરીઓની આબરૂ લૂંટાઈ છે. અમારા આગેવાનોને લટકાવી દેવામાં આવ્યા છે અને વૃદ્ધોનું કોઈએ માન રાખ્યું નથી. અમારા જુવાનો પાસે ગુલામોની જેમ ઘંટીએ દળવાનું કામ કરાવવામાં આવે છે. તેઓ લાકડાંનો ભાર ઊંચક્તાં લથડિયાં ખાય છે. વડીલો હવે શહેરના દરવાજે બેસતા નથી અને યુવાનો ગીત ગાતા નથી. અમારા જીવનમાંથી આનંદ ખલાસ થઈ ગયો છે; અમારાં નાચગાનને સ્થાને રડારોડ છે. ગૌરવ લઈ શકીએ એવું કંઈ અમારી પાસે નથી; અમે પાપ કર્યું છે. અરે, અમારી કેવી દુર્દશા થઈ છે! અમારું હૃદય નિર્ગત થયું છે અને અમારાં આંસુઓને લીધે અમે કશું જોઈ શક્તા નથી. કારણ, સિયોન પર્વત નિર્જન અને વેરાન થયો છે; તેનાં ખંડિયેરોમાં જંગલી શિયાળો ભટકે છે. પણ હે પ્રભુ, તમે સદાસર્વકાળ રાજા છો; તમારું રાજ સર્વકાળ ટકે છે. તમે શા માટે અમને લાંબા સમયથી ત્યજી દીધા છે? શું તમે અમને ફરી કદી નહિ સંભારો? હે પ્રભુ, તમારી પાસે અમને પાછા લાવો! અમને પાછા લાવો! અમારા પ્રાચીન ગૌરવનું સંસ્થાપન કરો. શું તમે અમને સદાકાળ માટે તજી દીધા છે? શું તમારા ક્રોધને કોઈ સીમા નથી? ત્રીસમા વર્ષના ચોથા માસની પાંચમી તારીખે હું બેબિલોનની કબાર નદીને કાંઠે દેશનિકાલ થઇને આવેલા ઇઝરાયલીઓ સાથે રહેતો હતો. ત્યારે આકાશ ઊઘડી ગયું અને મને ઈશ્વરનું દર્શન દેખાયું. એ તો યહોયાકીન રાજાના બંદીવાસના પાંચમા વર્ષમાં મહિનાની પાંચમી તારીખ હતી. બેબિલોન દેશમાં કબાર નદીને કાંઠે બૂઝીના પુત્ર યજ્ઞકાર હઝકિયેલને પ્રભુનો સંદેશ મળ્યો અને પ્રભુના પરાક્રમી પ્રભાવે તેનો કબજો લીધો. મેં જોયું તો ઉત્તરમાંથી આંધી અને વાવાઝોડું આવ્યાં અને એક મોટું વાદળું દેખાયું. જેમાં અગ્નિ ઝબૂક્તો હતો અને તેની આસપાસ ઝગમગાટ હતો. અગ્નિની મધ્યમાં ઝળહળતી ધાતુ જેવું દેખાતું હતું. અને મેં જોયું તો અગ્નિની મધ્યમાં માનવ આકારનાં ચાર પ્રાણી દેખાયાં. પ્રત્યેકને ચાર મુખ હતાં અને ચાર પાંખો હતી. તેમના પગ સીધા હતા અને તેમના પગનાં તળિયાં વાછરડાની ખરી જેવાં હતાં અને તે ઓપેલા તાંબાની જેમ ચળક્તાં હતાં. તેમની પાંખો નીચે ચાર મુખ અને ચાર પાંખોના અનુસંધાને ચારે બાજુએ માણસના હાથ જેવા ચાર હાથ હતા. દરેક પ્રાણીની બબ્બે પાંખો પોતાની બાજુ પરના પ્રાણીની પાંખને અડતી હતી. ચાલતી વખતે તેઓ આડાંઅવળાં વળતાં નહિ. દરેક પ્રાણી સીધું આગળ વધતું હતું. પ્રત્યેક પ્રાણીને ચાર જુદાં જુદાં મુખ હતાં. ચારેયને આગળના ભાગમાં માણસનું મુખ, જમણી બાજુએ સિંહનું મુખ, ડાબી બાજુએ આખલાનું મુખ અને પાછળની બાજુએ ગરુડનું મુખ હતું. દરેક પ્રાણીની બે પાંખો ઉપરની બાજુએ ફેલાયેલી હતી અને તે પોતાની નજીકના પ્રાણીની પાંખને સ્પર્શતી હતી જ્યારે બાકીની બે પાંખો શરીરને ઢાંક્તી હતી. દરેક પ્રાણીને ચારે દિશામાં મુખ હતાં. એટલે વળ્યા વિના આત્મા જ્યાં જવા ઇચ્છે તે તરફ તેઓ સીધેસીધાં જઈ શક્તાં હતાં. એ જીવંત પ્રાણીઓની વચ્ચે ધગધગતા અંગારા કે ભભૂક્તી મશાલ જેવું કશુંક દેખાતું હતું. અગ્નિ ઝબૂક્તો હતો અને તેમાંથી વીજળીના ચમકારા થતા હતા. એ પ્રાણીઓ વીજળીના ચમકારાની જેમ આગળ દોડતાં ને પાછાં આવતાં હતાં. હું એ પ્રાણીઓને જોતો હતો તેવામાં ચારે પ્રાણીઓ પાસે તેમનાં ચાર મુખમાંનાં દરેક મુખ દીઠ એકેક પૈડું ભૂમિને સ્પર્શતું જોયું. એ પૈડાંનો દેખાવ અને રચના આવાં હતાં: તેઓ પોખરાજ રત્નની જેમ ચમક્તાં હતાં: એ ચારે પૈડાં એક જ ઘાટનાં હતાં, અને એક પૈડાની વચ્ચે બીજું પૈડું ક્ટખૂણે ગોઠવ્યું હોય એવું લાગતું હતું. આથી તેઓ પાછા ફર્યા વિના કોઈપણ દિશામાં જઈ શક્તાં હતાં. પૈડાંની વાટો ઊંચી અને ભયજનક હતી અને વાટોને સર્વત્ર આંખો હતી. પ્રાણીઓ ચાલતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ચાલતાં, પ્રાણીઓ ભૂમિ પરથી ઊંચે ચઢતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે ચઢતાં. જ્યાં આત્મા જવાનો હોય ત્યાં તે જતાં, અને પ્રાણીઓની સાથે પૈડાં પણ જતાં. કારણ, એ પ્રાણીઓનો આત્મા પૈડામાં પણ હતો. જ્યારે પ્રાણીઓ ચાલતાં ત્યારે પૈડાં પણ ચાલતાં, જ્યારે પ્રાણીઓ થોભતાં ત્યારે પૈડાં પણ થોભતાં, જ્યારે પ્રાણીઓ ભૂમિ પરથી ઊંચે ચડતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ચડતાં; કારણ, એ પૈડાંમાં પણ પ્રાણીઓનો આત્મા હતો. પ્રાણીઓનાં માથાં ઉપર ઊંચે જાણે સ્ફટિકનાં તેજ જેવો ચમક્તો ઘૂમટ પ્રસારેલો હતો. પ્રાણીઓ એ ધૂમટ નીચે ઊભાં હતાં. પ્રત્યેક પ્રાણીએ પોતાની બે પાંખો પોતાની પાસેના પ્રાણીની પાંખને સ્પર્શે તેમ સીધી પ્રસારેલી હતી અને બાકીની બે પાંખો શરીરને ઢાંક્તી હતી. તેઓ ઊડતાં હતાં ત્યારે તેમની પાંખોનો અવાજ મને સંભળાયો હતો. તે અવાજ સાગરની ગર્જના જેવો, વિશાળ સૈન્યના કોલાહલ જેવો અને સર્વસમર્થના સાદ જેવો હતો. તેઓ ઊડતાં ઊડતાં થોભતાં ત્યારે પોતાની પાંખો નીચે નમાવી દેતાં. તેઓ અટકીને ઊભાં રહેતાં અને પાંખો સંકેલી લેતાં ત્યારે પણ તેમના માથા ઉપરના ઘૂમટમાંથી એક અવાજ આવ્યા કરતો. એ ધૂમટની ઉપર નીલમમાંથી બનાવેલા રાજ્યાસન જેવું કંઈક હતું અને તેના ઉપર મનુષ્ય જેવા દેખાવની આકૃતિ બેઠી હતી. મેં જોયું તો તેને કમર જેવું દેખાતું હતું. કમરની ઉપરનો ભાગ અગ્નિમાં ધગધગતા તાંબા જેવો દેખાતો હતો અને કમરની નીચેનો આખો ભાગ અગ્નિના જેવો ઝળહળતો હતો. તેની ચારે તરફ ઉજ્જવળ ઝળહળાટ પ્રસરેલો હતો. એ ઝળહળાટમાં ચોમાસામાં દેખાતા મેઘધનુષ્યના સર્વ રંગો દેખાતા હતા. એ તો પ્રભુના ગૌરવના જેવો દેખાવ હતો. એ જોતાં જ હું નમી પડયો અને મને કોઈના બોલવાનો અવાજ સંભળાયો. તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઊભો થા; હું તારી સાથે વાત કરવા માંગું છું.” તે મારી સાથે બોલ્યા કે ઈશ્વરના આત્માએ મારામાં પ્રવેશ કરીને મને મારા પગ પર ઊભો કર્યો અને મારી સાથે વાત કરનારની વાણી મેં સાંભળી: “હે મનુષ્યપુત્ર, હું તને ઇઝરાયલીઓ પાસે મોકલું છું. તે બંડખોર પ્રજાએ મારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. તેઓ તેમના પૂર્વજોની જેમ આજદિન સુધી મારી વિરુદ્ધ અપરાધ કરતા આવ્યા છે. તેઓ ઉદ્ધત અને હઠીલા છે. હું તને તેમની પાસે મોકલું છું. તું તેમને કહેજે કે આ તો પ્રભુ પરમેશ્વરનો સંદેશ છે. પછી ભલે તેઓ સાંભળે કે ન સાંભળે; કારણ, તેઓ બંડખોર પ્રજા છે. છતાં તેઓ એટલું તો જાણશે કે તેમની મધ્યે એક સંદેશવાહક છે. પણ હે મનુષ્યપુત્ર, તારે તેમનાથી ડરવું નહિ, કે તેમના શબ્દોથી ગભરાઈ જવું નહિ. તેઓ તારી સામા થશે અને તારો તિરસ્કાર કરશે. જો કે તારે એ કાંટાઝાંખરા ને વીંછીઓ વચ્ચે રહેવું પડે તોપણ તેમનાથી કે તેમના શબ્દોથી ડરીશ નહિ ને તેમના ચહેરાથી ગભરાઈશ નહિ. તેઓ તો બંડખોર પ્રજા છે. તેઓ ભલે સાંભળે કે ન સાંભળે, છતાં તારે મારો સંદેશ તેમને સંભળાવવો. તેઓ તો બંડખોર પ્રજા છે. હે મનુષ્યપુત્ર, મારું કહેવું સાંભળ. એ બંડખોરોની જેમ તું બંડખોર થઈશ નહિ. તારું મોં ઉઘાડ ને હું જે તને આપું છું તે ખા.” ત્યારે મેં મારા તરફ એક હાથ લંબાતો જોયો. તે હાથમાં પુસ્તકનો એક વીંટો હતો. તેમણે તે મારી આગળ ખુલ્લો કર્યો. તે બન્‍ને બાજુએ લખેલો હતો. તે વિલાપના, શોકના અને સંકટ સમયના નિસાસાથી ભરેલો હતો. ઈશ્વરે કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારી સમક્ષ આ જે ઓળિયું છે તે ખા, પછી જઈને ઇઝરાયલી લોકોને મારો સંદેશ કહે.” તેથી મેં મારું મુખ ઉઘાડયું અને તેમણે મને તે ઓળિયું ખાવા માટે આપ્યું. પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને આપું તે વિંટો તું ખાઈ જા; પેટ ભરીને ખા.” ત્યારે મેં તે વિંટો ખાધો અને તે મને મધ જેવો મીઠો લાગ્યો. તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓ પાસે જા અને તેમને મારો સંદેશ કહી સંભળાવ. હું તને કોઈ અજાણી બોલી કે અઘરી ભાષાના લોકો પાસે મોકલતો નથી, પરંતુ ઇઝરાયલીઓ પાસે મોકલું છું. હું તને સમજાય નહીં એવી અજાણી બોલી અને અઘરી ભાષા બોલનાર ઘણી પ્રજાઓ પાસે મોકલતો નથી. જો મેં તને તેમની પાસે મોકલ્યો હોત તો તેમણે તારું સાંભળ્યું હોત. પણ ઇઝરાયલીઓ તારો સંદેશ સાંભળશે નહિ, કારણ, તેઓ મારું સાંભળવા તૈયાર નથી. તેઓ બધા કઠોર અને હઠીલા છે. પણ હું તને તેમના જેટલો જ કઠોર અને હઠીલો બનાવીશ. હું તને ચકમકના ખડક જેવો સખત અને હીરા જેવો કઠણ બનાવીશ. તેઓ બળવાખોર પ્રજા હોવા છતાં ત્યારે તેમનાથી બીવું નહિ, તેમ જ ગભરાવું પણ નહિ.” વળી, તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને જે કહું તે બધું ધ્યાન દઈને સાંભળ અને તેમને તારા મનથી ગ્રહણ કર. પછી દેશનિકાલ થયેલા તારા લોકો, એટલે તારા દેશબાંધવો પાસે જા અને કહે કે, ‘આ પ્રભુ પરમેશ્વરનો સંદેશ છે.’ પછી ભલે તેઓ સાંભળે કે ન સાંભળે.’ પછી આત્માએ મને ઊંચકી લીધો અને મેં મારી પાછળ ધરતીકંપના અવાજ જેવી વાણી સાંભળી, “પ્રભુના પરમધામમાં તેમના ગૌરવની સ્તુતિ થાઓ” વળી, મેં પેલા જીવંત પ્રાણીઓની પાંખો એકબીજાની સાથે અથડાવાનો અને તેમની પાસેનાં પૈડાંઓનો અવાજ સાંભળ્યો. એ તો મોટા ધરતીકંપના ગડગડાટ જેવો અવાજ હતો. પછી આત્માએ મને ઊંચકી લીધો અને પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો સજ્જડ કબજો લીધો. તેથી હું કચવાતે મને ધૂંધવાઈને ગયો. હું તેલઅવીવમાં કબાર નદીને કાંઠે વસતા દેશનિકાલ થયેલાઓ પાસે આવ્યો. હું તેમની સાથે સાત દિવસ સુધી સ્તબ્ધ બની બેસી રહ્યો. સાત દિવસ પૂરા થયા પછી મને પ્રભુનો સંદેશ મળ્યો. “હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલી પ્રજા પર ચોકીદાર ઠરાવ્યો છે, તેથી હું તને જે ચેતવણીઓ આપું તે તું તેમને જણાવજે. હું કોઈ દુષ્ટને મોતની સજા ફરમાવું અને જો તું તેને તેનો જીવ બચાવવાને તેનો દુરાચાર છોડી દેવા ચેતવે નહિ, તો તે દુષ્ટ તેની દુષ્ટતામાં મરશે; પરંતુ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ. પણ જો તું તે દુષ્ટને ચેતવે તેમ છતાં તે પોતાની દુષ્ટતા અને ભૂંડા માર્ગો ન છોડે, તો તે તેનાં દુષ્કર્મોના કારણે મરશે, પણ તારો જીવ તો બચી જશે. વળી, જો કોઈ સદાચારી મનુષ્ય પોતાના સદાચારથી વિમુખ થઈ દુરાચાર કરે અને તેથી હું તેને જોખમમાં મૂકું, અને જો તું તેને ચેતવે નહિ તો તે પોતાના પાપને કારણે માર્યો જશે. હું તેનાં સત્કર્મો સંભારીશ નહિ, અને તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ. પણ જો તું કોઈ સદાચારીને પાપ ન કરવા અંગે ચેતવે, અને તે પાપ ન કરે તો તારી ચેતવણી લક્ષમાં લેવાને લીધે તે નક્કી જીવતો રહેશે, અને તે ઉપરાંત તારો પોતાનો જીવ પણ બચી જશે.” પ્રભુના પરાક્રમી પ્રભાવે ત્યાં મારો કબજો લીધો અને પ્રભુએ મને કહ્યું, “તું અહીંથી ઊઠીને ખીણપ્રદેશમાં ચાલ્યો જા અને ત્યાં હું તારી સાથે વાત કરીશ.” તેથી હું ઊઠયો અને ખીણપ્રદેશમાં ગયો અને ત્યાં મને કબાર નદીએ થયું હતું તેવું પ્રભુના ગૌરવનું દર્શન થયું. મેં ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યાં. પણ પ્રભુના આત્માએ મારામાં પ્રવેશ કરી મને મારા પગ પર ખડો કર્યો અને મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારે ઘેર જા અને બારણાં બંધ કરીને અંદર ભરાઈ જા. તને દોરડાંથી બાંધીને જકડી લેવામાં આવશે, જેથી તું લોકો વચ્ચે જઈ શકશે નહિ. હું તારી જીભ તારે તાળવે ચોંટાડી દઈને તને મૂંગો બનાવી દઈશ, જેથી તું તેમને ચેતવણી આપી શકીશ નહિ, કારણ, તેઓ તો બંડખોર લોકો છે. પછી જ્યારે હું તારી સાથે વાત કરીશ ત્યારે હું તને ફરી બોલતો કરીશ. તું તેમને કહેજે કે આ તો પ્રભુ પરમેશ્વરની વાણી છે. જેને સાંભળવું હોય તે સાંભળે અને જેને ન સાંભળવું હોય તે ન સાંભળે, કારણ, તેઓ બંડખોર પ્રજા છે. ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું એક ઇંટ લઈને તારી આગળ મૂક અને તેના પર યરુશાલેમનું ચિત્ર દોર. પછી તેને ઘેરો ઘાલ, તેની ચોગરદમ ખાઈઓ બનાવ, માટીના ઢાળિયા ઊભા કર, છાવણીઓ નાખીને ચારે તરફ કોટભંજક યંત્રો ગોઠવ. પછી તું લોખંડનો તવો લઈને તારી અને શહેરની વચ્ચે તેને લોખંડની દીવાલ તરીકે મૂક. તારું મોં શહેર તરફ રાખ; હવે જાણે કે શહેર ઘેરા નીચે છે અને તું ઘેરો ઘાલનાર છે. ઇઝરાયલીઓ માટે આ એક સંકેત છે. પછી તું તારે ડાબે પડખે સૂઈ જા, અને એ પડખે ઇઝરાયલના દુરાચારનો બોજો વહન કર. તું જેટલા દિવસ ડાબે પડખે સૂઈ રહે તેટલા દિવસ તારે તેમના દુરાચારનો બોજો ઉપાડવો. તારે ત્રણસો નેવું દિવસ ઇઝરાયલીઓની દુષ્ટતાનો બોજો સહન કરવાનો છે. તેમના અધર્મની શિક્ષાનું એક વર્ષ બરાબર એક દિવસ એ પ્રમાણે તારે બોજો ઉપાડવાનો છે. એ દિવસો પૂરા થયા પછી તું પાછો જમણે પડખે સૂઈ જજે અને મેં ઠરાવ્યું છે તેમ એક વર્ષને માટે એક દિવસ લેખે ચાળીસ દિવસ સુધી તારે યહૂદાના કુળના દુરાચારનો બોજો ઉપાડવો. પછી તારે તારા હાથની બાંય ચડાવીને યરુશાલેમના ઘેરા તરફ તારું મોં રાખવું, અને તેની વિરુદ્ધ મારો સંદેશ પ્રગટ કરવો. હું તને દોરડા વડે બાંધી દઉં છું; જેથી ઘેરો પૂરો થાય ત્યાં સુધી તું પડખું બદલી શકીશ નહિ. પછી તું ઘઉં, જવ, વટાણા, મસૂરની દાળ અને બાજરી લે અને તેને એક વાસણમાં નાખીને તેના રોટલા બનાવ. ડાબા પડખા પર સૂઈ રહેવાના ત્રણસો નેવું દિવસ સુધી તારે તે રોટલા ખાવાના છે. તારે એ ખોરાક તોલીને ખાવાનો છે. દર વખતે થોડું થોડું ખાતાં તારે એક દિવસમાં 250 ગ્રામ ખોરાક ખાવાનો છે. તારે પાણી પણ માપીને પીવાનું છે, એટલે દર વખતે થોડું થોડું પીતાં તારે આખા દિવસમાં બે પ્યાલા પાણી પીવાનું છે. તારે સૌનાં દેખતાં સુક્યેલી મનુષ્યવિષ્ટા પર જવના રોટલાની જેમ શેકીને રોટલા ખાવાના છે.” પછી પ્રભુએ કહ્યું, “જ્યારે હું ઇઝરાયલીઓને વિદેશી પ્રજાઓમાં હાંકી કાઢીશ ત્યારે તેમણે આ જ રીતે નિયમશાસ્ત્ર પ્રમાણે અશુદ્ધ ઠરાવેલ એવો અશુદ્ધ ખોરાક ખાવો પડશે.” પણ મેં કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, મેં મારી જાતને કદી વટલાવી નથી, બચપણથી આજ સુધી મેં કુદરતી રીતે મરેલું કે કોઈ જંગલી પશુએ મારી નાંખેલા પ્રાણીનું માંસ ખાધું નથી, નિષિદ્ધ ઠરાવાયેલ કોઈ ખોરાક મેં કદી મોંમાં નાખ્યો નથી.” ત્યારે તેમણે મને કહ્યું, “હું તને મનુષ્યવિષ્ટાને બદલે ગાયના છાણ પર રોટલા શેકવાની રજા આપું છું.” પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું યરુશાલેમમાંથી અન્‍નનો પુરવઠો કાપી નાખીશ. ત્યાંના લોકો ભયના માર્યા તોળી તોળીને ખાશે અને બીતાં બીતાં પાણી પીશે. તેમનાં ખોરાક અને પાણી ખૂટી પડશે. તેઓ સૌ ભયભીત થઈને એકબીજા સામે તાકી રહેશે અને પોતાનાં પાપમાં ઝૂરી ઝૂરીને નાશ પામશે.” પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું હજામના અસ્ત્રા જેવી તીક્ષ્ણ તરવાર લે અને તેનાથી તારું માથું અને તારી દાઢી મૂંડ. પછી ત્રાજવાં લઈ વાળ તોળીને તેના ત્રણ સરખા ભાગ પાડ. ઘેરાના દિવસો પૂરા થાય ત્યારે શહેરના મધ્ય ભાગમાં વાળનો ત્રીજો ભાગ અગ્નિમાં બાળી નાખ. પછી અન્ય ત્રીજો ભાગ લઈ શહેરની આસપાસ ફરતાં ફરતાં તેના તલવારથી ટુકડેટુકડા કરી નાખ, બાકીના ત્રીજા ભાગને તું હવામાં ઉડાવી દે, એટલે હું તેમની પાછળ ઉઘાડી તલવાર લાગુ કરી દઈશ. એમાંથી થોડાક વાળ લઈને તારા અંગરખાની ચાળમાં બાંધી દે. તેમાંથી થોડા વાળ લઈ અગ્નિમાં બાળી નાખ. તેમાંથી પ્રગટેલો અગ્નિ સમગ્ર ઇઝરાયલ પ્રજામાં ફેલાઈ જશે.” પ્રભુ પરમેશ્વરે એની આવી સ્પષ્ટતા કરી, “યરુશાલેમ વિષે એવું જ થશે. મેં એ નગરને પૃથ્વીની મધ્યમાં ગોઠવ્યું છે, અને એની આસપાસ અન્ય દેશો આવેલા છે. એણે તો દુરાચાર કરીને એ દેશોની બધી પ્રજાઓ કરતાં મારાં ફરમાનો અને હુકમો વિરુદ્ધ વિશેષ બંડ કર્યું છે. તેણે મારાં ફરમાનો ફગાવી દીધાં છે અને તે મારા હુકમો પ્રમાણે ચાલી નથી.” તેથી પ્રભુ પરમેશ્વર તેને કહે છે, “તું તો તારી આસપાસની પ્રજાઓ કરતાં વધુ હુલ્લડખોર નીકળી છે. તું મારા હુકમો પ્રમાણે ચાલી નથી અને મારાં ફરમાનો પાળ્યાં નથી. પણ તેં તારી આસપાસની પ્રજાઓના રિવાજોનું પાલન કર્યુ છે.” તેથી પ્રભુ પરમેશ્વર કહે છે, “હું પોતે પણ તારી વિરુદ્ધ છું અને બધી પ્રજાઓનાં દેખતાં હું તારા પર ન્યાયશાસન લાવીશ. તારાં તિરસ્કારપાત્ર કૃત્યોને હું તને એવી સજા કરીશ કે જેવી મેં પહેલાં કોઈને કરી નથી ને હવે પછી કરવાનો નથી. તેથી તારામાં વસતાં માબાપ પોતાનાં બાળકોને ખાશે અને બાળકો પોતાનાં માબાપોને ખાશે. હું તને સજા કરીશ અને તારા બચી ગયેલાંને ચારે દિશામાં વિખેરી નાખીશ. હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સોગંદ ખાઈને કહું છું કે તારી સર્વ ધૃણાજનક વસ્તુઓ અને તારાં સર્વ ધિક્કારપાત્ર કાર્યોથી તેં મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યુ છે, તેથી હું પણ તને કાપી નાખીશ. મારી આંખ તારા પ્રત્યે દરગુજર કરશે નહિ અને હું જરાયે દયા દાખવીશ નહિ. તારી ત્રીજા ભાગની વસતી તારામાં જ મહામારી અને ભૂખમરાથી મરી જશે. તારા ત્રીજા ભાગના લોકોનો શત્રુની તલવારથી સંહાર થશે અને ત્રીજા ભાગના લોકોને હું ચારે દિશામાં વિખેરી નાખીશ અને તેમની પાછળ ઉઘાડી તલવારે તેમનો પીછો કરીશ. “એ રીતે મારો કોપ અને રોષ પૂરો થશે અને ત્યારે જ મને નિરાંત વળશે. મારો કોપ શમશે ત્યારે તેમને ખબર પડશે કે હું પ્રભુ મારા આવેશમાં બોલ્યો છું. હું તને ખંડિયેર બનાવી દઈશ, અને તને તારી આસપાસની પ્રજાઓમાં અને તારી પાસે થઈને જનારા સર્વની દષ્ટિમાં નિંદાપાત્ર બનાવી દઈશ. હું જ્યારે કોપમાં અને ક્રોધમાં તને ધાકધમકીથી સજા કરીશ ત્યારે આસપાસની પ્રજાઓ ભયથી કાંપશે; અને તેઓ તને મહેણાં મારશે, તું તેમને માટે ચેતવણીરૂપ બની જશે અને તેઓ તને જોઈને આશ્ર્વર્ય પામશે. હું તને નષ્ટ કરવા માટે એ પ્રજાઓ પર પણ દુકાળનાં ઘાતક તીર ચલાવીશ, એમ હું દુકાળ ફેલાવીશ અને તારો અનાજનો પુરવઠો કાપી નાખીશ. હું તારા ઉપર દુકાળ અને હિંસક પશુઓ મોકલીશ, તેઓ તારાં સંતાનોને ખાઈ જશે. હું તારો સંહાર કરવા તારા પર રોગચાળો, હિંસા અને યુદ્ધ મોકલીશ. હું પ્રભુ એ બોલ્યો છું.” મને પ્રભુનો સંદેશ મળ્યો, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પર્વતો તરફ દષ્ટિ કર અને તેમની વિરુદ્ધ મારો આ સંદેશ સંભળાવ. હે ઈઝરાયલના પર્વતો, પ્રભુ પરમેશ્વરનો આ સંદેશો સાંભળો: પ્રભુ પરમેશ્વર પર્વતોને, ડુંગરાઓને, કોતરોને અને ખીણોને આમ કહે છે: હું તમારા પરનાં મૂર્તિપૂજાનાં ઉચ્ચસ્થાનોનો યુદ્ધથી નાશ કરીશ. તમારી યજ્ઞવેદીઓ અને તમારી ધૂપવેદીઓ તોડી પાડવામાં આવશે. હું તમારા ક્તલ થયેલા માણસોને તમારી મૂર્તિઓ આગળ ફેંકી દઈશ. હું ઇઝરાયલીઓની લાશો તેમની મૂર્તિઓ આગળ નાખીશ, અને હું તમારાં હાડકાં તમારી યજ્ઞવેદીઓ આસપાસ વિખેરી નાખીશ. તમારા વસવાટનાં બધાં નગરો ઉજ્જડ કરી મુકાશે, તમારાં પૂજાનાં ઉચ્ચસ્થાનો ખંડિયેર બનાવવામાં આવશે, તમારી યજ્ઞવેદીઓ ભાંગી નખાશે, તમારી મૂર્તિઓ તોડી નાખવામાં આવશે. તમારી ધૂપવેદીઓના ટુકડેટુકડા કરી નાખવામાં આવશે, તમારા હાથની બધી કૃતિઓની હસ્તી મિટાવી દેવાશે. તમારી મધ્યે કત્લેઆમ ચાલશે ત્યારે જેઓ બચી જશે તેઓ કબૂલ કરશે કે હું પ્રભુ છું. “તોપણ હું તમારામાંથી કેટલાકને જીવતા રહેવા દઈશ, તેઓ સંહારથી બચી જઈને અન્ય દેશોમાં વિખેરાઈ જશે. તમારામાંના બચી ગયેલા લોક એ પ્રજાઓની વચ્ચે દેશવટો ભોગવશે. તેઓ પોતાના મનની બેવફાઈને લીધે મારાથી વંઠી ગયા હતા અને તેમની આંખો તેમની મૂર્તિઓ પર મોહી પડી હતી. તેથી મેં જ તેમનાં મન હતાશ કરી નાખ્યાં છે એવું સમજતાં ત્યાં તેઓ મારું સ્મરણ કરશે. પોતાના દુરાચારો અને ઘૃણાજનક આચરણોને લીધે તેમને પોતાની જ જાત પર તિરસ્કાર પેદા થશે. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું અને મેં કહ્યું હતું કે, ‘હું તમારા ઉપર આ આપત્તિ લાવીશ.’ ત્યારે એ કેવળ પોકળ ધમકી નહોતી.” પ્રભુ પરમેશ્વર કહે છે, “તારો હાથ ઝાટકી નાખ, તારો પગ પછાડ અને નિસાસા નાખ; કારણ, ઇઝરાયલી લોકોએ ધૃણિત દુષ્કર્મો કર્યાં છે. પરિણામે, તેઓ યુદ્ધથી, દુષ્કાળથી અને રોગચાળાથી માર્યા જશે. દૂર રહેનારા રોગચાળાથી, પાસે રહેનારા તલવારથી અને જેઓ બચીને રહી જવા પામશે તેઓ દુષ્કાળથી માર્યા જશે. આ પ્રમાણે હું તેમના ઉપર મારો ક્રોધ શમાવીશ. તેમની મૂર્તિઓની વચ્ચે અને વેદીઓની આસપાસ, એકેએક ડુંગર ઉપર, એકેએક પર્વતના શિખર ઉપર, એકેએક લીલાવૃક્ષ નીચે, એકેએક ઘટાદાર મસ્તગીવૃક્ષ, જ્યાંજ્યાં તેઓ પોતાની મૂર્તિઓ આગળ સુગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં ત્યાં મૃતદેહો વેરવિખેર પડેલા હશે, ત્યારે તેઓ બધાં જાણશે કે હું પ્રભુ છું. હું તેમના પર મારો વિનાશકારી હાથ ઉગામીશ અને દક્ષિણના રણપ્રદેશથી માંડીને ઉત્તરના રિબ્લા નગર સુધીના તેમના વસવાટના સમગ્ર પ્રદેશને હું વેરાન બનાવી દઈશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. પ્રભુએ મને સંદેશ દેતાં કહ્યું “હે મનુષ્યપુત્ર, પ્રભુ પરમેશ્વર ઇઝરાયલ દેશને કહે છે કે, અંત નજીક છે, આખા દેશનો અંત આવી પહોંચ્યો છે. તારો અંત નજીક આવ્યો છે. હું મારો કોપ તારા પર રેડી દઈશ અને તારાં આચરણ અનુસાર તારો ન્યાય કરીશ, અને તારાં ધિક્કારપાત્ર કાર્યોનો હું બદલો વાળીશ. હું તારી દયા ખાઈશ નહિ કે તને છોડી દઈશ નહિ. હું તારાં આચરણ અનુસાર અને તારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તને શિક્ષા કરીશ, ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું.” પ્રભુ પરમેશ્વર કહે છે, “તારા ઉપર આફત પર આફત આવી રહી છે. અંત, અરે, તારો અંત જ આવી પહોંચ્યો છે. અત્યારે તે તારી સામે ખડો છે ને આવી લાગ્યો છે. ઓ દેશના નિવાસીઓ, તમારું આવી બન્યું છે. સમય આવી પહોંચ્યો છે, પર્વતો પરનાં પૂજાસ્થાનોમાં હર્ષનાદનો નહિ, પણ ધાંધલધમાલનો એ દિવસ નજદીક છે. હવે થોડી જ વારમાં હું મારો કોપ તમારા પર રેડી દઈશ અને મારો રોષ તમારા પર ઠાલવીશ. તમારા દુરાચાર અનુસાર તમારો ન્યાય કરીશ અને તમારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તમને શિક્ષા કરીશ. હું તમારી દયા ખાઈશ નહિ કે તમને જોઈને છોડી દઈશ નહિ. હું તમારાં આચરણ અનુસાર અને તમારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તમને શિક્ષા કરીશ ત્યારે તમે જાણશો કે તમને સજા કરનાર તો હું પ્રભુ છું. જુઓ, એ દિવસ આવી પહોંચ્યો છે. તમારો સર્વનાશનો દિવસ આવી પહોંચ્યો છે. હિંસા ખીલી ઊઠી છે અને અંહકાર ફાલ્યોફૂલ્યો છે. હિંસા વકરીને દુષ્ટતાની લાઠી બની ગઈ છે. તેઓમાંનો કોઈ બચવાનો નથી. નથી તેમની ધનદોલત બચવાની, કે નથી તેમનો વૈભવ કે માનમરતબો રહેવાનાં. સમય આવ્યો છે. દિવસ આવી પહોંચ્યો છે. ખરીદનાર હરખાઈ જવાના નથી કે વેચનાર દુ:ખી થવાના નથી, કારણ, મારો કોપ સર્વ પર એક્સરખો ઊતરશે. વેચનાર વેચી નાખેલી વસ્તુ પાછી મેળવવા જીવવાનો નથી, કારણ પ્રભુનો કોપ સૌ પર એક્સરખો ઊતરનાર છે. દુષ્ટો બચી શકવાના નથી. રણશિંગડું ફૂંક્ય છે, સૌને સાબદા કરવામાં આવે છે, પણ કોઈ યુદ્ધમાં જતું નથી, કારણ, મારો કોપ સમસ્ત સમુદાય પર એક્સરખો ઊતરવાનો છે. નગર બહાર લડાઈ છે, અંદર રોગચાળો અને દુકાળ છે; જે કોઈ નગરની બહાર ખેતરમાં છે તે તલવારથી માર્યો જશે, જે કોઈ નગરમાં છે તે રોગચાળો અને દુકાળનો ભક્ષ થઈ પડશે. જેઓ બચી જશે તેઓ ગભરાટમાં નાસી છૂટેલાં ખીણનાં પારેવાંની જેમ પર્વતો પર ભાગી છૂટશે. તેઓ સૌ પોતાનાં પાપને લીધે વિલાપમાં ઝૂરશે. સૌના હાથ નિર્બળ અને ધૂંટણો પાણી જેવા ઢીલા થઈ જશે. તેઓ શોકનાં વસ્ત્રો પહેરશે ને તેમનામાં આતંક છવાઈ જશે. સૌના ચહેરા પર શરમ અને માથે મુંડન હશે. તેઓ પોતાનું રૂપું રસ્તાઓમાં ફેકી દેશે અને સોનું કથીર બની જશે. પ્રભુના કોપના દિવસે તેમનું સોનુરૂપું તેમને ઉગારી શકશે નહિ. તેનાથી નથી તેમની ભૂખ મટવાની કે નથી તેમનું પેટ ધરાવાનું; બલ્કે, તેમના દુરાચાર માટે એ સોનુરૂપું જ તેમને માટે ઠોકરરૂપ થયું છે. એકવાર તેમને પોતાનાં સુંદર આભૂષણોનો ગર્વ હતો અને તેમાંથી જ તેમણે પોતાને માટે ધૃણાસ્પદ અને નફરતજન્ય મૂર્તિઓ બનાવી. તેથી હું તેમને માટે એ આભૂષણો વિષ્ટા જેવાં કરી દઈશ. હું એ આભૂષણો વિદેશીઓના હાથમાં અને દુનિયાના દુર્જનોના હાથમાં લૂંટ તરીકે આપી દઈશ અને તેઓ તેને ભ્રષ્ટ કરશે. વળી, હું તેમનાથી પણ વિમુખ થઈ જઈશ અને શત્રુઓને મારું પવિત્ર મંદિર ભ્રષ્ટ કરવા દઈશ. લૂંટારાઓ તેમાં પ્રવેશ કરીને તેને ભ્રષ્ટ કરશે. “સાંકળો તૈયાર કરાવ, કારણ, આખા દેશમાં ખૂનરેજી અને નગરોમાં હિંસા વ્યાપ્યાં છે. બધે જ અંધાધૂંધી છે. હું અધમમાં અધમ પ્રજાઓને લાવીશ, અને તેઓ તેમનાં ઘરો પચાવી પાડશે. હું બળવાનોનો ગર્વ ઉતારી પાડીશ અને હું તેમનાં પવિત્રસ્થાનોને ભ્રષ્ટ કરાવીશ. આતંક આવી પડે ત્યારે તેઓ શાંતિની શોધ કરશે, પરંતુ તે તેમને મળશે નહિ. વિપત્તિ પર વિપત્તિ આવી પડશે અને અફવા પર અફવા ચાલશે. તેઓ સંદેશવાહક પાસેથી સંદર્શન શોધશે; પરંતુ યજ્ઞકારો પાસેથી નિયમશાસ્ત્રના જ્ઞાનનો અને વડીલો પાસેથી સલાહશક્તિનો લોપ થશે. રાજા શોક પાળશે અને રાજકુમાર નિરાશાથી ઘેરાઈ જશે અને લોકોના હાથ ભયથી કંપી ઊઠશે. હું તેમનાં આચરણ પ્રમાણે તેમની સાથે વ્યવહાર કરીશ, અને તેમના જ ચુકાદા પ્રમાણે હું તેમનો ન્યાય કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” છઠ્ઠા વર્ષના છઠ્ઠા માસના પાંચમા દિવસે હું મારા ઘરમાં બેઠો હતો અને યહૂદિયાના આગેવાનો મારી સામે બેઠા હતા ત્યારે પ્રભુ પરમેશ્વરના પરાક્રમી પ્રભાવે કબજો મારો લીધો. મેં જાયું તો મને માણસના જેવી એક ઝળહળતી આકૃતિ દેખાઈ. તેની કમરથી નીચેનો અર્ધો ભાગ અગ્નિ જેવો હતો અને કમરથી ઉપરનો ભાગ ઓપેલા તાંબાના જેવો તેજોમય હતો. તેણે હાથ જેવું કશુંક લંબાવ્યું અને મારા માથાના વાળ પકડયા. ઈશ્વરના આત્માએ મને આકાશ તથા પૃથ્વી વચ્ચે ઊંચકી લીધો અને દૈવી સંદર્શનમાં યરુશાલેમ લઈ જઈ મંદિરના અંદરના પટાંગણના ઉત્તર તરફના અંદરના દરવાજાની પાસે લઈ ગયો. ત્યાં ઈશ્વરને કોપાયમાન કરે તેવી મૂર્તિ સ્થાપેલી હતી. અને ત્યાં મને કબાર નદીના કિનારાના પ્રદેશમાં જેવું દર્શન થયું હતું તેવું ઇઝરાયલના ઈશ્વરના ગૌરવનું દર્શન થયું. પછી ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઉત્તર તરફ દષ્ટિ કર” તેથી મેં ઉત્તર તરફના દરવાજાના પ્રવેશદ્વાર તરફ જોયું તો યજ્ઞવેદીની નજીકમાં ઈશ્વરને કોપ ચડાવે તેવી મૂર્તિ હતી. પછી ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ લોકો શું કરે છે તે તું જુએ છે? મારે મારા પવિત્રસ્થાનથી દૂર જતા રહેવું પડે એ માટે ઇઝરાયલના લોકો અહીં આ ભારે ધિક્કારપાત્ર કાર્યો કરે છે. છતાં હજુ તું આના કરતાંય વધારે ધૃણાસ્પદ કૃત્યો જોશે.” પછી તે મને બહારના પ્રાંગણના પ્રવેશદ્વાર પાસે લાવ્યો. મેં જોયું તો દીવાલમાં એક બાકોરું હતું. તેમણે કહ્યું, “હે મનુષ્યપુત્ર, અહીં દીવાલમાં ખોદ, તેથી મેં ભીંતમાં ખોદયું તો બારણું દેખાયું. તેમણે મને કહ્યું, “અંદર જઈને જો કે તેઓ ત્યાં કેવાં દુષ્ટ અને ધિક્કારપાત્ર કૃત્યો કરે છે.” તેથી હું અંદર ગયો અને જોયું તો ચારેય બાજુ દીવાલો પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓનાં, અન્ય અશુદ્ધ પશુઓનાં અને ઇઝરાયલીઓની સર્વ મૂર્તિઓનાં ચિત્રો કોતરેલાં હતાં. ત્યાં ઇઝરાયલી લોકના સિત્તેર આગેવાનો ઊભા હતા. તેમની સાથે શાફાનનો પુત્ર યાઝાન્યા ઊભો હતો. દરેકના હાથમાં પોતાની ધૂપદાની હતી, તેમાંથી ધૂપનો ઘૂમાડો ઉપર ચઢતો હતો. ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકના આગેવાનો અંધકારમાં પોતપોતાની મૂર્તિની ઓરડીઓમાં શું કરે છે તે તેં જોયું? તેઓ મૂર્તિઓવાળા પૂજાગૃહમાં પૂજા કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘પ્રભુ અમને જોતા નથી. તે તો દેશ છોડી જતા રહ્યા છે.” વળી, તેમણે કહ્યું, “તું તેમને આનાથીયે અધિક ધૃણાસ્પદ કૃત્યો કરતાં જોશે.” પછી તે મને પ્રભુના મંદિરના ઉત્તરના દરવાજાના પ્રવેશદ્વારે લાવ્યો. મેં જોયું તો સ્ત્રીઓ ત્યાં તામ્મૂઝ દેવતાના મૃત્યુ માટે વિલાપ કરતી હતી. તેમણે મને પૂછયું, “હે મનુષ્યપુત્ર, તેં આ જોયું? તું આ કરતાંયે અધિક ધિક્કારપાત્ર કૃત્યો જોશે.” પછી તે મને પ્રભુના મંદિરના અંદરના પટાંગણમાં લઈ આવ્યો, ત્યાં પ્રભુના મંદિરના પ્રવેશદ્વાર પાસે, પરસાળ તથા યજ્ઞવેદીની વચ્ચે આશરે પચીસ માણસો હતા. તેમની પીઠ પ્રભુના મંદિર તરફ હતી અને મોં પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વમાં જોઈને સૂર્યની પૂજા કરતા હતા. પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તેં આ જોયું? યહૂદિયાના લોકો અહીં જે ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તેટલાંથી તેમને સંતોષ થતો નથી કે તેમણે આખો દેશ અત્યાચારથી ભરી દીધો છે? વળી, મને વિશેષ રોષ ચડાવવા તેઓ પૂજામાં પોતાના નાકે ડાળી અડકાડે છે તે જો. તેથી હું પણ તેમની સાથે રોષપૂર્ણ વ્યવહાર કરીશ. હું તેમના પ્રત્યે દયાદષ્ટિ રાખીશ નહિ કે તેમને બચાવીશ નહિ. તેઓ મારા કાનમાં ગમે તેટલા મોટે સાદે પોકારશે તો યે હું તેમનું સાંભળીશ નહિ.” પછી મેં ઈશ્વરને મોટે અવાજે આમ કહેતા સાંભળ્યા, “હે નગરને સજા કરનારાઓ, તમારાં સંહારક શસ્ત્રો લઈને પાસે આવો.” તેથી તે જ ક્ષણે છ માણસો મંદિરની ઉત્તરે આવેલા ઉપલા દરવાજે થઈને પોતપોતાનું સંહારક શસ્ત્ર લઈને આવ્યા. અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલો એક માણસ તેમની સાથે ઊભો હતો. તેની કમરે લહિયાનું શાહી ભરેલું શિંગ લટકાવેલું હતું. તેઓ આવીને તાંબાની યજ્ઞવેદી પાસે ઊભા રહ્યા. ત્યાર પછી ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ કરુબો ઉપરથી ઊપડીને મંદિરનાં ઉંબરા પાસે ગયું. પ્રભુએ અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલો માણસ કે જેની કમરે લહિયાનું શાહી ભરેલું શિંગ લટકાવેલું હતું, તેને કહ્યું, “આખા યરુશાલેમમાં ફરી વળ અને તેમાં થતાં ધિક્કારપાત્ર કૃત્યોને કારણે જે માણસો નિસાસા નાખતા હોય અને ઝૂરતા હોય તે સર્વના કપાળ પર ચિહ્ન કર.” ત્યાર પછી મેં ઈશ્વરને બાકીના બીજાઓને એમ કહેતા સાંભળ્યા, “તમે તેની પાછળ પાછળ નગરમાં સર્વત્ર ફરીને સંહાર કરો; કોઈને જીવતો જવા દેશો નહિ કે કોઈની પ્રત્યે દયા ખાશો નહિ. વૃદ્ધ પુરુષોની, યુવાનોની, યુવતીઓની, નાનાં બાળકોની અને સ્ત્રીઓની ક્તલ કરો. પણ કપાળ પરનાં ચિહ્નવાળા કોઈને અડકશો નહિ. અહીં મારા મંદિરથી જ શરૂઆત કરો.” તેથી તેમણે મંદિર આગળ ઊભેલા આગેવાનોથી જ શરૂઆત કરી. ઈશ્વરે તેમને કહ્યું, “પહેલાં મંદિરનાં પ્રાંગણને લાશોથી ભરી દઇ મંદિરને ભ્રષ્ટ કરો; તે પછી બહાર જાઓ.” પછી તેમણે ત્યાંથી નગરમાં નીકળીને ક્તલ ચલાવી. તેઓ ક્તલ કરતા હતા ત્યારે હું ત્યાં એકલો હતો. મેં ભૂમિ પર શિર ટેકવીને પોકારીને કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, શું તમે યરુશાલેમ ઉપર કોપ વરસાવીને બાકી રહેલા સર્વ ઇઝરાયલીઓનો પણ નાશ કરી નાખશો?” ઈશ્વરે ઉત્તર આપ્યો, “ઇઝરાયલીઓએ અને યહૂદિયાના લોકોએ અત્યંત દુરાચાર કર્યો છે. આખા દેશમાં ખૂનામરકી ચાલે છે અને યરુશાલેમ અન્યાયથી ભરપૂર છે. એ લોકો કહે છે કે, “પ્રભુ દેશ છોડીને ચાલ્યા ગયા છે અને તે જોતા નથી.’ પણ હું તેમને જીવતા જવા દઇશ નહિ કે તેમની દયા ખાઇશ નહિ કે તેમને બચાવીશ નહિ, પણ હું તેમનાં કામોનો બદલો આપીશ.” પછી કમરે લહિયાનું શાહી ભરેલું શિંગ લટકાવેલ લેખનસામગ્રીવાળા અને અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલાં માણસે પાછા આવીને પ્રભુને જણાવ્યું, “મેં આપની આજ્ઞાનો અમલ કર્યો છે.” ત્યાર પછી મેં કરુબોના મસ્તક ઉપરના ઘૂમટ તરફ જોયું. ત્યાં નીલમણિના રાજ્યાસન જેવું કંઈક દેખાયું. ઈશ્વરે અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરુબો નીચેનાં ફરતાં પૈડાંઓની વચમાં જા અને તેમાંથી ખોબો ભરીને સળગતા અંગારા લે અને તેમને નગર પર વેરી દે. મારા દેખતાં તે અંદર ગયો.” એ માણસ અંદર પ્રવેશ્યો ત્યારે કરુબો મંદિરની દક્ષિણ દિશાએ ઊભા હતા, અને અંદરનો ચોક વાદળથી ભરાઇ ગયો. ઈશ્વરનું ગૌરવ કરુબો પરથી ઊપડીને મંદિરનાં ઉંબરા પર ગયું; ત્યારે મંદિર વાદળથી ભરાઇ ગયું અને ચોકમાં પ્રભુના ગૌરવનો ઉજ્જવળ પ્રકાશ વ્યાપી ગયો. કરુબોની પાંખોનો અવાજ બહારના ચોક સુધી સંભળાતો હતો. એ અવાજ સર્વશક્તિમાન ઈશ્વરના બોલવાના અવાજ જેવો લાગતો હતો. જ્યારે પ્રભુએ અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલા માણસને કરુબો નીચેનાં ફરતાં પૈડાં વચ્ચેથી અંગારા લેવાનું ફરમાવ્યું ત્યારે તે અંદર ગયો અને એક પૈડા પાસે ઊભો રહ્યો. અને એક કરુબે કરુબો વચ્ચેના અગ્નિ તરફ હાથ લંબાવ્યો અને તેમાંથી થોડા અંગારા લઇને અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા માણસના ખોબામાં મૂક્યા. તે માણસ તે અંગારા લઇને બહાર નીકળ્યો. મેં જોયું તો દરેક કરુબને તેની દરેક પાંખ નીચે માણસના હાથ જેવું કશુંક હતું. મેં જોયું તો પ્રત્યેક કરુબને પડખે એક એમ ચારે કરુબોની પડખે ચાર પૈડાં હતાં અને પોખરાજના રત્નની જેમ ચમક્તાં હતાં. દેખાવમાં તે ચારે પૈડાંનો ઘાટ એક્સરખો હતો અને એક પૈડું બીજામાં ક્ટખૂણે ગોઠવાયું હોય તેવું લાગતું હતું. જ્યારે તેઓ ચાલતાં ત્યારે આમતેમ વળ્યા વિના ચારે દિશામાં જઇ શક્તાં. તેઓ ચારે આડાઅવળાં વળ્યા વિના પોતે ઇચ્છે તે દિશામાં એક સાથે જઇ શક્તાં હતાં. તેમનું આખું શરીર, તેમની પીઠ, હાથ, પાંખો તેમ જ પૈડાં આંખોથી છવાયેલાં હતાં. એ પૈડાંને મેં “ફરતાં પૈડાં” એ નામે બોલાવતાં સાંભળ્યાં. પ્રત્યેક કરુબને ચાર મુખ હતાં. પહેલું મુખ કરુબનું, બીજું માણસનું, ત્રીજું સિંહનું, ને ચોથું ગરુડનું હતું. કરુબો ઊડીને ઊંચે ચઢયા. આ જ પ્રાણીઓને મેં કબાર નદીને કાંઠે જોયાં હતાં. જ્યારે કરુબો ચાલતાં ત્યારે તેમની પડખે આવેલાં પૈડાં પણ સાથે ચાલતાં, અને કરુબો જમીન પરથી ઊડવા પોતાની પાંખો પ્રસારતા ત્યારે પૈડાં તેમની પડખેથી ખસી જતાં નહિ. કરુબો ઊભા રહેતા ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં, અને કરુબો ઊંચે ઊડતા ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે ઊડતાં, કારણ, એ પૈડાંમાં પણ કરુબોનો આત્મા હતો. ત્યાર પછી પ્રભુનું તેજોમય ગૌરવ મંદિરના ઉંબરેથી ઊપડીને કરુબો પર થંભ્યું. હું જોઇ રહ્યો હતો તેવામાં કરુબો પોતાની પાંખો પ્રસારીને જમીનથી ઊંચે ચઢયાં અને પૈડાં પણ તેમની સાથે જમીનથી ઊંચે ઊંચક્યા. તેઓ પ્રભુના મંદિરના પૂર્વ તરફના દરવાજાના પ્રવેશદ્વાર પાસે થંભ્યા અને તેમના ઉપર ઇઝરાયલના પ્રભુનું ગૌરવ બિરાજેલું હતું. જે પ્રાણીઓ મેં કબાર નદીને કાંઠે ઇઝરાયલના ઈશ્વરના રાજ્યાસન નીચે નિહાળ્યાં હતાં તે આ જ હતાં અને તે કરુબો જ હતા તેની પણ મને ખબર પડી. પ્રત્યેકને ચાર મુખ હતાં અને ચાર પાંખો હતી અને તેમની દરેક પાંખ નીચે મનુષ્યના હાથ જેવું કશુંક હતું. તેમના મુખોનો ઘાટ તો દેખાવમાં નદી પાસે મેં જે મુખો જોયાં હતાં તેના જેવો જ હતો. પ્રત્યેક પ્રાણી સીધેસીધું આગળ ચાલતું હતું. પછી ઈશ્વરનો આત્મા મને ઊંચકીને પ્રભુના મંદિરના પૂર્વમુખી દરવાજે લઇ આવ્યો. એ દરવાજા પાસે પચીસ માણસો હતા. તેઓમાં મેં લોકોના બે આગેવાનો એટલે આઝઝુરના પુત્ર યાઝાન્યાને તથા બનાયાના પુત્ર પલાટયાને જોયા. પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, દુષ્ટ કાવાદાવા કરનાર અને નગરમાં દુષ્ટ સલાહ આપનાર આ જ માણસો છે. તેઓ કહે છે, ‘હાલ તો કંઈ મકાનો બાંધવાનો સમય નથી. આ નગર તો કઢાઇ છે, અને આપણે માંસ છીએ. પણ એ આપણને સુરક્ષિત રાખે છે.’ તેથી હે મનુષ્યપુત્ર, તું તેમની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર.” પછી પ્રભુનો આત્મા મારા પર ઊતરી આવ્યો અને તેમણે મને આ પ્રમાણે કહેવાનું કહ્યું, “પ્રભુ આ પ્રમાણે કહે છે: હે ઇઝરાયલીઓ, તમે એવું બોલો તો છો પણ તમારા મનમાં શા વિચારો ચાલે છે એ હું જાણું છું. તમે આ નગરમાં ઘણા લોકોની હત્યા કરી છે અને તેમનાં મડદાંથી શેરીઓ ભરાઇ ગઇ છે. “તેથી હું પ્રભુ પરમેશ્વર કહું છું કે આ નગર ખરેખર કઢાઇ છે અને તમે જે લોકોની હત્યા કરી છે તેઓ માંસ છે; પણ તમને તો હું નગરની બહાર હાંકી કાઢીશ. તમે યુદ્ધથી ગભરાઓ છો પણ તમારી વિરુદ્ધ હું તલવાર જ લાવીશ. “હું તમને શહેરમાંથી હાંકી કાઢીશ અને તમને પરદેશીઓના હાથમાં સોંપી દઇશ. વળી, હું તમને આકરી સજા કરીશ. તમે તમારા ઇઝરાયલ દેશની હદમાં જ તલવારનો ભોગ થઇ પડશો. હું તમને એ રીતે સજા કરીશ ત્યારે તમને સૌને ખબર પડશે કે હું પ્રભુ છું. આ નગર તમારે માટે કઢાઇરૂપ થનાર નથી અને તમે તેમાંના માંસરૂપ થનાર નથી, પણ હું ઇઝરાયલ દેશની હદમાં તમને સજા કરીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું: કારણ, તમે મારા કરારનો ભંગ કર્યો છે, અને મારા નિયમોનો અમલ કર્યો નથી, પણ તમે તો તમારી આસપાસની પ્રજાઓના રીતરિવાજોને અપનાવ્યા છે.” હું સંદેશ પ્રગટ કરી રહ્યો હતો તે જ વખતે બનાયાનો પુત્ર પલાટયા મરણ પામ્યો. મેં ભૂમિ પર શિર ટેકવીને નમન કરતાં મોટે સાદે બૂમ પાડીને કહ્યું, “અરેરે, પ્રભુ પરમેશ્વર શું તમે ઇઝરાયલના બચી ગયેલાઓનો પૂરેપૂરો વિનાશ કરશો?” પ્રભુનો સંદેશ મને મળ્યો, “હે મનુષ્યપુત્ર, યરુશાલેમમાં અત્યારે રહેનારા લોકો તારા સર્વ જાતભાઇઓ વિષે અને દેશનિકાલ થયેલા તારા સર્વ સાથી ઇઝરાયલીઓ વિશે એમ કહે છે કે, ‘તમે તો પ્રભુથી બહુ દૂર કાઢી મૂક્યા છો. આ દેશ તો હવે અમને જ અમારી મિલક્ત તરીકે આપી દેવામાં આવ્યો છે.’ તેથી તું એમને કહે કે, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જો કે મેં તેમને દૂરદૂરની પ્રજાઓમાં મોકલી દીધા છે અને તેમને અન્ય દેશોમાં વિખેરી નાખ્યા છે, છતાં, જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું હાલ પૂરતું તેમને માટે મંદિર બન્યો છું.” તેથી તું તારા સાથી નિર્વાસિતોને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: હું તમને અન્ય પ્રજાઓમાંથી એકઠા કરીશ ને તમને વિખેરી નાખવામાં આવ્યા છે તે દેશોમાંથી એકત્ર કરીને તમને ઇઝરાયલ દેશ પાછો આપીશ. જ્યારે તેઓ પાછા આવે ત્યારે તેઓ ઇઝરાયલ દેશમાંથી સર્વ ધિક્કારપાત્ર મૂર્તિઓ અને તેમને લગતા સર્વ તિરસ્કારપાત્ર કુરિવાજો દૂર કરશે. હું તેમને એકનિષ્ઠ હૃદય અને નવો આત્મા આપીશ. હું તેમના દેહમાંથી પાષાણ જેવું જક્કી હૃદય દૂર કરીશ અને તેમને માંસનું એટલે આધીન હૃદય આપીશ. જેથી તેઓ મારાં ફરમાનોનું પાલન કરશે અને નિષ્ઠાપૂર્વક મારા નિયમોને આધીન થઇ તેમનો અમલ કરશે. આમ, તેઓ મારી પ્રજા થશે ને હું તેમનો ઈશ્વર થઇશ. પણ જેમનાં હૃદયો ઘૃણાસ્પદ મૂર્તિઓ અને ઘૃણાસ્પદ કુરિવાજો તરફ લાગેલાં છે, તેમણે તેમનાં સર્વ કૃત્યોનાં ફળ ભોગવવાં પડશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.” પછી કરુબોએ પોતાની પાંખો પ્રસારી. પૈડાં પણ તેમની સાથે ઊંચે ગયાં અને ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ તેમની ઉપર બિરાજેલું હતું. પ્રભુનું ગૌરવ યરુશાલેમ નગરમાંથી ઊપડીને પૂર્વ બાજુએ આવેલાં પર્વત પર થંભ્યું. પછી સંદર્શનમાં ઈશ્વરનો આત્મા મને ઊંચકીને બેબિલોનમાં દેશનિકાલ થયેલા પાસે લઇ ગયો. પછી ત્યાં એ સંદર્શન મારી પાસેથી લોપ થઇ ગયું. પછી પ્રભુએ મને જે બાબતો બતાવી હતી તે બધી મેં દેશનિકાલ થયેલાઓને કહી સંભળાવી. વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, તું એવા બંડખોર લોકો મધ્યે વસે છે, કે જેઓ જોવાને આંખો હોવા છતાં જોતા નથી, ને સાંભળવાને કાન હોવા છતાં સાંભળતા નથી. એ તો વિદ્રોહી પ્રજા છે. તેથી હે મનુષ્યપુત્ર, દેશનિકાલ થનાર માણસની જેમ તારો સરસામાન તૈયાર કર અને તેમના દેખતાં ધોળે દિવસે બીજે સ્થળે જવા ચાલી નીકળ. આમ તો તેઓ બંડખોર તો છે, છતાં કદાચ તેઓ સમજે. તું દિવસે તેમનાં દેખતાં દેશવટે જવા માટેનો તારો સામાન બહાર કાઢ. સાંજે તેમનાં દેખતાં જેમ દેશનિકાલ થયેલાઓ ચાલી નીકળે છે તેમ ઘરમાંથી ચાલી નીકળ. તેમના દેખતાં જ તું દીવાલમાં બાકોરું પાડ અને તેમાં થઇને તારો સામાન બહાર લઇ જા. તેમનાં દેખતાં જ તારે તે સામાન ખભે ઊંચકીને રાતના અંધારામાં બહાર લઇ જવો. તારું મુખ ઢાંકી દેજે; જેથી તું દેશ જોઇ શકે નહિ, કારણ, મેં તને ઇઝરાયલીઓ માટે સંકેત તરીકે ઠરાવ્યો છે.” તેથી મને મળેલી આજ્ઞા પ્રમાણે મેં કર્યું. જાણે દેશવટે જવાનો હોઉં એમ મેં મારો સરસામાન દિવસે તૈયાર કર્યો, અંધારું થયું ત્યારે મારે હાથે દીવાલમાં બાકોરું પાડયું, ને તેમની નજર સામે સામાન ખભે ચડાવીને ચાલી નીકળ્યો. સવારમાં પ્રભુનો સંદેશ મને મળ્યો. “હે મનુષ્યપુત્ર, શું એ બંડખોર ઇઝરાયલીઓએ તને એમ ન પૂછયું કે, ‘તું શું કરે છે?’ તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે, ‘આ સંદેશ યરુશાલેમના રાજવી માટે અને ત્યાં વસવાટ કરતા બધા ઇઝરાયલીઓ માટે છે.’ તું તેમને કહે કે મેં હઝકિયેલે, જે અભિનય કર્યો તે તમારે માટે ભવિષ્યમાં શું બનવાનું છે તેનો સંકેત છે. તમારે દેશનિકાલ થઇ જવું પડશે. તમારો રાજવી અંધારામાં પોતાના ખભે પોતાનો સરસામાન ઉપાડીને ચાલી નીકળશે અને તેને માટે લોકોએ કોટમાં પાડેલા બાકોરામાંથી તે બહાર નાસી છૂટશે. પોતે દેશ જોઈ ન શકે તે માટે તે પોતાનું મોં ઢાંકશે. પણ હું તેના પર મારી જાળ ફેલાવીશ અને તેને મારા પાશમાં સપડાવીશ. હું તેને ખાલદી લોકોના દેશના બેબિલોન નગરમાં લાવીશ; જ્યાં તે નગર જોયા વિના જ મૃત્યુ પામશે. હું તેના રાજદરબારીઓ, તેના સહાયકો અને તેના સર્વ સૈન્યને ચારે દિશામાં વિખેરી નાખીશ અને ખુલ્લી તલવારે તેમનો પીછો કરીશ. હું તેમને અન્ય પ્રજાઓમાં અને દેશદેશમાં વેરવિખેર કરી નાખીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. પરંતુ હું તેઓમાંથી થોડાકને તલવાર, દુકાળ ને રોગચાળામાંથી બચાવી લઇશ; જેથી જે પ્રજાઓમાં જઇને વસવાટ કરે ત્યાં તેઓ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો કબૂલ કરે અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો. “હે મનુષ્યપુત્ર, તારે ધ્રૂજતાં ધ્રૂજતાં ખોરાક ખાવો અને પાણી પીતાં પીતાં ભયથી કાંપવું. આ દેશના બધા લોકોને કહે કે, ઇઝરાયલ દેશમાં વસતા યરુશાલેમના સર્વ લોકો વિષે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તેઓ બીતાં બીતાં ખોરાક ખાશે અને કંપતાં કંપતાં પાણી પીશે. દેશના રહેવાસીઓના અત્યાચારને લીધે તેમનો નાશ કરાશે અને દેશને ઉજ્જડ કરવામાં આવશે. વસ્તીવાળાં નગરો ઉજ્જડ બનાવી દેવાશે અને આખો દેશ વેરાન બની જશે. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકોમાં આ કહેવત ચાલે છે: ‘સમય તો વીતી જાય છે અને એકેય સંદર્શન સાચું પડતું નથી!” તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: હું એ કહેવતનો અંત આણી દઇશ, અને તેઓ ઇઝરાયલમાં એ ફરી કદી દોહરાવશે નહિ. તેને બદલે તું તેમને કહે, “સમય આવી પહોંચ્યો છે અને પ્રત્યેક સંદર્શન પરિપૂર્ણ થશે! હવેથી ઇઝરાયલી લોકોમાં વ્યર્થ સંદર્શનો નહિ થાય કે તેમને ગેરમાર્ગે દોરે તેવા જોશ જોવાશે નહિ. પરંતુ હું પ્રભુ પરમેશ્વર જે કહેવાનું હશે તે કહીશ, અને હું જે સંદેશ આપીશ તે વિના વિલંબે ફળીભૂત થશે. ઓ બંડખોર લોકો, પ્રભુ પરમેશ્વર કહે છે કે હું જે કહીશ તે તમારા પોતાના જીવનકાળ દરમિયાન પૂરું કરી બતાવીશ.” વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓ કહે છે કે, ‘જે સંદર્શન તેં જોયું છે અને તેનો જે સંદેશ તું પ્રગટ કરે છે તે તો ઘણા દૂરના ભાવિને માટે છે.’ તેથી તેમને કહે કે પ્રભુ પરમેશ્વર, આમ કહે છે: મારો એકપણ સંદેશ પૂર્ણ થવામાં વિલંબ થશે નહિ. હું કહું તે પ્રમાણે નિ:સંદેહ થશે જ. હું પ્રભુ પરમેશ્વર પોતે એ કહું છું.” વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, પોતાના મનની કલ્પના પ્રમાણે સંદેશ આપતા ઇઝરાયલના સંદેશવાહકો વિરુદ્ધ તું સંદેશ પ્રગટ કર. તું તેમને કહે કે તમે પ્રભુનો સંદેશ સાંભળો. પ્રભુ પરમેશ્વર આમ કહે છે: કંઈ પણ સંદર્શન ન થયું હોવા છતાં પોતાના મનથી ઉપજાવી કાઢેલો સંદેશ કહેનારા એ સંદેશવાહકોની કેવી દુર્દશા થશે! હે ઇઝરાયલ, તમારા સંદેશવાહકો ખંડિયોરોમાં ભૂંક્તા શિયાળ જેવા છે. પ્રભુને દિવસે ઇઝરાયલીઓ યુદ્ધમાં ટકી શકે તે માટે કોટમાં પડેલાં ગાબડાં પૂરવા તે ત્યાં ગયા નથી. તેમનાં સંદર્શનો આભાસી છે અને તેમની આગાહી જૂઠી છે. ‘પ્રભુ આમ કહે છે’ એવું કહીને તેઓ મારો સંદેશ પ્રગટ કરવાનો દાવો કરે છે, પણ મેં તેમને મોકલ્યા નથી. છતાં પોતાની વાણી સાચી પડે એવી અપેક્ષા તેઓ રાખે છે! તમે જે દર્શનો જુઓ છો તે આભાસી છે અને જે આગાહીઓ કરો છો તે જૂઠી છે; કારણ, હું કંઈ બોલ્યો ન હોઉં ત્યારે પણ ‘પ્રભુ આમ કહે છે’ એવું તમે જણાવો છો.” તેથી પ્રભુ પરમેશ્વર તેમને આમ કહે છે: “તમે જૂઠી વાતો કહો છો અને જૂઠાં દર્શનો જુઓ છો, તેથી હું પ્રભુ પરમેશ્વર તમારી વિરુદ્ધ છું. હું જૂઠાં દર્શનો જોનાર અને જૂઠી આગાહીઓ કરનાર સંદેશવાહકોની વિરુદ્ધમાં પડયો છું. તેમને મારા લોકની સભામાં સ્થાન નહિ હોય, ઇઝરાયલનાં કુળોની નામાવલિમાં તેમનાં નામ નહિ નોંધાય. તેઓ ઇઝરાયલ દેશમાં ફરી પાછા પ્રવેશ કરી શકશે નહિ અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ પરમેશ્વર છું. “સહીસલામતી જેવું કંઈ ન હોવા છતાં બધું સહીસલામત છે એમ કહીને તેઓ મારા લોકોને ભમાવે છે. મારા લોકો તકલાદી ભીંત બાંધે છે ત્યારે આ સંદેશવાહકો તેના ઉપર ચૂનાના લપેડા કરે છે. તું એ લપેડા કરનારાઓને કહે કે, એ ભીંત તો પડી જશે. તેના પર મુશળધાર વરસાદ વરસશે, કરા પડશે અને વાવાઝોડું ફૂંકાશે. ભીંત તૂટી પડશે અને સૌ કોઈ તમને પૂછશે, ‘તમે કરેલા ચૂનાના લપેડા ક્યાં ગયા?” તેથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “હું ક્રોધે ભરાઇને વાવાઝોડું, ધોધમાર વરસાદ અને કરા મોકલીશ અને તે ભીંતને પાડી નાખીશ. એમ તમે જે ભીંત પર ચૂનાના લપેડા કર્યા છે તેને હું પાડી નાખીશ; તેને હું એવી તો જમીનદોસ્ત કરીશ કે તેનો પાયો ઉઘાડો થઇ જશે. એ ભીંત તૂટી પડશે ત્યારે તમે બધાં તેની નીચે નાશ પામશો, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. એ રીતે ભીંત અને તેના પર ચૂનાના લપેડા કરનારા ઉપર હું મારો કોપ ઉતારીશ. હું તમને કહીશ, ‘ભીંત નષ્ટ થઇ તેમ જ તેના પર ચૂનાનો લપેડો કરનારાનો પણ નાશ થયો છે. ઇઝરાયલના જે સંદેશવાહકો કંઈ સહીસલામત ન હોવા છતાં બધું સહીસલામત છે તેવી આગાહી ખાતરીપૂર્વક ઉચ્ચારતા હતા તે નષ્ટ થયા.’ આમ યરુશાલેમ વિશે આગાહી કરનાર સંદેશવાહકો એટલે સહીસલામતી ન હોવા છતાં સહીસલામતીનાં સંદર્શનો જોનારાઓ નષ્ટ થશે એવું પ્રભુ પરમેશ્વર કહે છે.” “હે મનુષ્યપુત્ર, તારા લોકમાં કપોળકલ્પિત આગાહી કરનાર સંદેશવાહિકાઓને ઉદ્દેશીને તેમની વિરુદ્ધ સંદેશ કહે. તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: હે સ્ત્રીઓ, તમારું આવી બન્યું છે! તમે માણસોનાં કાંડાએ તાવીજો બાંધો છો અને વિવિધ કદના માણસોના માથે બાંધવાના જાદુઈ રુમાલ બનાવો છો, અને એમ તમે તેમનો શિકાર કરો છો! તમે તમારા લાભમાં મારા લોકના જીવના ભોગે તમારા જીવ બચાવો છો? તમારાં જૂઠાણાને માની લેનાર મારા લોકો આગળ જૂઠું બોલીને તમે મૂઠી જવ અને ટુકડો રોટલાને માટે જેઓ મરવાને પાત્ર નથી એવાને તમે મારી નાખો છો અને જેઓ જીવવાને પાત્ર નથી એવાને તમે જીવતા રાખો છો અને એમ કરીને મારા લોકમાં તમે મને અપમાનિત કર્યો છે.” તેથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તમે માણસોને પક્ષીઓની જેમ વશ કરવા જે તાવીજો વાપરો છો, તેની હું વિરુદ્ધ છું. હું એ તાવીજોને તમારા હાથ પરથી તોડી નાખીશ અને જેમનો તમે પક્ષીઓની જેમ શિકાર કર્યો છે તેમને હું મુક્ત કરીશ. હું તમારા રુમાલોને ફાડી નાખીશ અને મારા લોકોને તમારા અંકુશમાંથી છોડાવીશ અને તેઓ હવે પછી તમારા ફાંદામાં ફસાશે નહિ અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. જે લોકોને હું દુ:ખી કરવા માંગતો નથી એવા નેક માણસોનાં મન તમે તમારાં જૂઠાણાથી દુભાવ્યાં છે. દુષ્ટો પોતાના દુરાચરણથી પાછા ફરીને બચી ન જાય તે માટે તમે તેમના દુરાચારને પ્રોત્સાહન આપો છો. તેથી હવે તમારાં જૂઠાં સંદર્શનો અને તમારી જૂઠી આગાહીઓનો અંત આવ્યો છે. હું મારા લોકોને તમારા અંકુશમાંથી છોડાવીશ, ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.” ઇઝરાયલના કેટલાક આગેવાનો મારી પાસે આવ્યા અને મારી આગળ બેઠા. ત્યારે પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, આ માણસોનાં મન તેમની મૂર્તિઓમાં પરોવાયેલાં છે. તેમને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું તેઓ ધ્યાન ધરે છે. તો પછી શા માટે મારે તેમની પૂછપરછનો કોઈ પ્રત્યુત્તર આપવો? તેથી તું તેમની સાથે વાત કરીને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જો કોઇ ઇઝરાયલી પોતાનું મન મૂર્તિઓમાં પરોવે અને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું ધ્યાન ધરે અને પછી કોઈ સંદેશવાહક પાસે જાય તો હું પોતે તેને તેની સંખ્યાબંધ મૂર્તિઓના પ્રમાણમાં ઉત્તર આપીશ. જે ઇઝરાયલીઓ પોતાની મૂર્તિઓને લીધે મારાથી વિમુખ થયા છે તેમનાં હૃદયોને પુન: જીતી લેવા હું ઉત્તર આપીશ. આથી તું ઇઝરાયલી લોકને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તમારા પાપથી પાછા ફરો, તમારી ઘૃણિત મૂર્તિઓનો ત્યાગ કરો અને તમારાં ધિક્કારપાત્ર કૃત્યોથી વિમુખ થાઓ. જ્યારે કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલમાં રહેનાર કોઈ પરદેશી મારાથી વિમુખ થઈને પોતાનું મન મૂર્તિઓમાં પરોવે અને પોતાને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું ધ્યાન ધરે અને પછી કોઈ સંદેશવાહક પાસે પૂછપરછ કરવા જાય તો હું પ્રભુ જાતે તેને ઉત્તર આપીશ. હું તેની વિરુદ્ધ થઇ જઇશ અને બીજાઓને દાખલો બેસાડવા તેને કહેવતરૂપ બનાવી દઇશ અને હું તેને મારા લોકમાંથી કાઢી મૂકીશ, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. જો કોઈ સંદેશવાહક ભોળવાઇને ખોટો ઉત્તર આપે તો માનવું કે મેં પ્રભુએ જ એ સંદેશવાહકને ભ્રમમાં પડવા દીધો છે અને હું મારા ઇઝરાયલી લોકોમાંથી તેનો નાશ કરીશ. સંદેશવાહક પાસેથી સલાહ શોધનાર અને તે સંદેશવાહક બન્‍નેને તેમના ગુના માટે એક્સરખી સજા વેઠવી પડશે. એ પછી ઇઝરાયલીઓ ફરી કદી મારાથી ભટકી જશે નહિ અને ફરી કદી પોતાનાં પાપો વડે પોતાને ભ્રષ્ટ કરશે નહિ. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો ઈશ્વર થઇશ એમ પ્રભુ પરમેશ્વર કહે છે.” પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, જો કોઈ દેશ મારા પ્રત્યેની નિષ્ઠાનો ત્યાગ કરીને મારી વિરુદ્ધ પાપ કરે તો હું મારો હાથ ઉગામીને તેનો પુરવઠો કાપી નાખીશ, ત્યાં દુકાળ મોકલીશ અને ત્યાંના જન-જનાવરોનો નાશ કરીશ. એ સમયે એ દેશમાં નૂહ, દાનિયેલ અને યોબ એ ત્રણ માણસો હોય તો પણ પોતાના સદાચરણથી ફક્ત પોતાની જ જિંદગી બચાવી શકશે. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું. અથવા હું એ દેશમાં હિંસક પશુઓને મોકલું કે તેઓ દેશને વસતીહીન અને વેરાન બનાવી દે અને હિંસક પશુઓને લીધે કોઈ માણસ તે દેશમાં થઇને મુસાફરી કરી શકે નહિ; તો હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઈને કહું છું કે તે ત્રણ માણસો તે દેશમાં હોય તો તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. તેઓ ફક્ત પોતાની જિંદગી જ બચાવી શકશે; પણ તે દેશ તો ઉજ્જડ બની જશે. અથવા હું તલવાર મોકલીને એ આખાયે દેશમાં યુદ્ધથી જનજનાવરનો સંહાર કરું, અને નૂહ, દાનિયેલ અને યોબ તેમાં હોય તો પણ હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના શપથ લઈને કહું છું કે તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. પોતાની નેકીથી તેઓ માત્ર પોતાની જ જિંદગી બચાવશે. અથવા હું તે દેશમાં રોગચાળો મોકલું અને મારો રોષ તે પર ઠાલવીને તેનાં જનજનાવરનો સંહાર કરું, તો હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના શપથ લઈને કહું છું કે જો કે નૂહ, દાનિયેલ અને યોબ તેમાં હોય તો તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. પોતાની નેકીથી તેઓ માત્ર પોતાની જિંદગી બચાવશે.” વળી, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “યરુશાલેમમાંથી જનજનાવરોનો નાશ કરવા માટે હું મારી ચારેય ભયંકર સજા એટલે યુદ્ધ, દુકાળ, હિંસક પશુઓ અને રોગચાળો યરુશાલેમ પર મોકલીશ. તેમ છતાં તેઓમાંથી કોઈક બચી જાય અને પોતાનાં પુત્ર-પુત્રીઓને પણ બચાવી શકે અને એ બચી ગયેલાઓ તમારી પાસે આવે અને તમે તેમનાં વર્તન અને આચરણો જોશો ત્યારે યરુશાલેમને મેં કરેલી સજા કેવી વાજબી છે તે વિષે તમને ખાતરી થશે. કારણ, તેમનાં વર્તન અને આચરણ પરથી તમને સમજાશે કે મેં તેમને વિના કારણ સજા કરી નથી. હું પ્રભુ પરમેશ્વર પોતે એ કહું છું.” વળી, મને પ્રભુનો સંદેશ મળ્યો: “હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવેલાની ડાળીનું લાકડું વનનાં અન્ય વૃક્ષોનાં લાકડાં કરતાં ચડિયાતું છે? શું તેના લાકડામાંથી કોઈ ઉપયોગી વસ્તુ બનાવી શકાય? શું માણસો તેમાંથી વાસણો લટકાવવાની ખૂંટી પણ બનાવી શકે? એ તો માત્ર અગ્નિ પેટાવવાના જ કામનું છે. અગ્નિમાં તેના બન્‍ને છેડા સળગી ઊઠે છે અને વચલો ભાગ પણ બળી જાય છે. તો પછી એ કોઇ ઉપયોગમાં આવે ખરું? તે બળ્યા વગરનું આખું હતું ત્યારે જ કશા કામનું નહોતુ, તો પછી અગ્નિમાં બળી ગયા પછી તે શા કામમાં આવે?” આથી પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “જેમ વનનાં વૃક્ષોમાંથી દ્રાક્ષાવેલાનાં લાકડાં અગ્નિ પેટાવવાને વપરાય છે તેમ હું યરુશાલેમના લોકોને સજા ફટકારીશ. હું તેમનાંથી વિરુદ્ધ થઇ જઇશ અને તેઓ એક આગમાંથી બચી ગયા છે, પણ આગ જ તેમને ભસ્મ કરી નાખશે. હું તેમની વિરુદ્ધ થઇ જઇશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. તેમણે મારા પ્રત્યેની નિષ્ઠાનો ત્યાગ કર્યો છે, તેથી હું દેશને ઉજ્જડ બનાવી દઇશ. હું પ્રભુ એ બોલું છું.” વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, તું યરુશાલેમને તેનાં ધિક્કારપાત્ર કૃત્યો જણાવ.” તેને કહે કે, “પ્રભુ પરમેશ્વર યરુશાલેમને આમ કહે છે: તારો જન્મ કનાન પ્રદેશમાં થયેલો છે અને એ જ તારું ઉદ્ભવસ્થાન છે, તારો પિતા અમોરી હતો અને તારી માતા હિત્તી હતી. તું જન્મી તે દિવસે કોઈએ તારી નાળ કાપી નહોતી. પાણીથી નવડાવીને તને સ્વચ્છ કરી નહોતી, કોઈએ તને મીઠું ચોળ્યું નહોતું કે તને વસ્ત્રમાં લપેટી નહોતી. આમાંનું કંઇપણ કરવા પૂરતી સહાનુભૂતિ કોઈએ તારા પ્રત્યે દર્શાવી નહોતી, પણ તું જન્મી ત્યારે તને ખુલ્લા મેદાનમાં ફેંકી દેવામાં આવી હતી. કારણ, ત્યારે તારી દશા નફરતજનક હતી. તારી પાસે થઇને જતાં મેં તને તારા પોતાના જ લોહીમાં લથપથ થઇને આળોટતી જોઇ; તું તો લોહીમાં આળોટતી હતી તોયે મેં તને કહ્યું, ‘જીવી જા.’ ખેતરમાં ઊગી નીકળતા છોડની જેમ મેં તને ઉછેરી. તું પુખ્ત બની અને તારી યૌવનાવસ્થા ખીલી ઊઠી, તારાં સ્તન પણ વિકસ્યાં ને તારા વાળ ઊગ્યા, તેમ છતાં હજી તું તો સાવ નાગી ઉઘાડી હતી. હું ફરી તારી પાસેથી પસાર થયો તો મેં જોયું કે પ્રેમ કરવા જેવી તારી ઉંમર થઇ હતી. મેં તારો ડગલો પ્રસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. મેં તારી સાથે સોગંદપૂર્વક કરાર કર્યો અને તું મારી બની. હું પ્રભુ પરમેશ્વર આ બધું કહું છું. મેં પાણી લઇ તને નવડાવી, તારા દેહ પરથી તારું લોહી ધોઇ નાખ્યું, ને તને ઓલિવતેલ ચોળ્યું. મેં તને ભરત ભરેલાં વસ્ત્ર પહેરાવ્યાં અને તને સુંદર ચામડાની મોજડીઓ આપી. મેં તને અળસીરેસાનો શ્વેત દુપટ્ટો બાંધ્યો અને તને રેશમી વસ્ત્ર પહેરાવ્યાં. મેં તને આભૂષણોથી શણગારી; હાથે બંગડીઓ અને ગળે હાર પહેરાવ્યાં. નાકમાં વાળી ને કાનમાં કુંડળ પહેરાવ્યાં અને માથે સુંદર મુગટ મૂક્યો. મેં તને સોનાચાંદીનાં આભૂષણોથી સજાવી. તારાં વસ્ત્રો શ્વેત અળસીરેસાનાં, રેશમ અને બુટાદાર ભરતકામનાં હતાં. મેંદો, મધ અને ઓલિવતેલ તારો ખોરાક હતો. તારું સૌંદર્ય આંજી નાખે તેવું હતું. તું રાજરાણીના પદને યોગ્ય બની ગઈ. તારા સર્વાંગસંપૂર્ણ સૌંદર્યને લીધે તારી કીર્તિ સર્વ પ્રજાઓમાં ફેલાઇ ગઇ. કારણ, મેં જ તને એ વૈભવ બક્ષ્યો હતો. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું. પણ તેં તારા સૌંદર્યનો અને કીર્તિનો ગર્વ કર્યો. તું વેશ્યા બની ગઇ અને જતાં આવતાં દરેક સાથે વ્યભિચાર કરવા લાગી. તેં તારાં વસ્ત્રોનો ઉપયોગ કરી તારાં પૂજાનાં ઉચ્ચસ્થાનો સજાવ્યાં અને ત્યાં વેશ્યાની જેમ દરેક સાથે વ્યભિચાર કર્યો. આવું તો કદી બન્યું નથી કે બનવાનું નથી. વળી, તને સજાવવા મેં તને આપેલા સોનાચાંદીના દાગીના લઇ તેમાંથી તે પુરુષ પ્રતિમાઓ બનાવીને તેમની સાથે વ્યભિચાર કર્યો. મેં આપેલાં બુટ્ટાદાર વસ્ત્રો લઇ એ પ્રતિમાઓને તે પહેરાવ્યાં અને મારું ઓલિવ તેલ તથા મારા સુગંધિત ધૂપનું પણ તેમની આગળ અર્પણ કર્યું. મેં તને ખોરાક તરીકે આપેલાં મેંદો, તેલ તથા મધ પણ તે મૂર્તિઓને ખુશકારક સુવાસને અર્થે ચડાવી દીધાં. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું. “પછી તેં મારાથી તને જન્મેલાં પુત્રપુત્રીઓને એ મૂર્તિઓ સમક્ષ બલિ તરીકે ચડાવ્યાં. તેં વ્યભિચાર કર્યો એટલું ઓછું હતું, કે તેં મારા પુત્રપુત્રીઓનો વધ કરીને અર્પણ તરીકે એ મૂર્તિઓને અગ્નિમાં હોમી દીધાં? તારાં આ ધિક્કારપાત્ર કૃત્યો અને વ્યભિચાર કરતી વખતે તને કદી તારું બાળપણ યાદ ન આવ્યું કે, જ્યારે તું નાગી ઉઘાડી તારા પોતાના લોહીમાં આળોટતી હતી.” પ્રભુ પરમેશ્વર કહે છે: “તને ધિક્કાર છે! તારી કેવી દુર્દશા થશે! એ તારી બધી દુષ્ટતા પછી પણ તેં તારે માટે ચોતરો બંધાવ્યો છે, પ્રત્યેક જાહેર ચોકમાં મૂર્તિપૂજાનાં સ્થાનકો ઊભાં કર્યાં છે. *** તેં દરેક શેરીને નાકે ઊંચા ઓટલા બનાવ્યા છે. ત્યાં થઈને પસાર થતા પ્રત્યેક રાહદારી આગળ તારો દેહ ધરીને તેં તારું સૌંદર્ય રગદોળાવા દીધું છે. વળી, તેં તારા કામાંગી પડોશી ઇજિપ્તીઓ સાથે પણ વ્યભિચાર કર્યો છે. એમ તેં તારાં વ્યભિચારી કામો ચાલુ રાખીને મને રોષ ચડાવ્યો છે. તેથી મેં તારા પર મારો હાથ ઉગામ્યો છે અને તારી ખોરાકીનો નિયત હિસ્સો ઘટાડી દીધો છે. મેં તને તારા શત્રુ એટલે પલિસ્તી કન્યાઓના હાથમાં સોંપી દીધી હતી. તેઓ પણ તારા લંપટ આચરણથી શરમાઇ ગઇ છે. તેં આશ્શૂરીઓ સાથે પણ વ્યભિચાર કર્યો છે, કારણ, તું તૃપ્ત થાય તેવી નહોતી. તેમની સાથે વ્યભિચાર કર્યા છતાં તને સંતોષ થયો નથી. તેં વેપારીઓના દેશ બેબિલોનના રહેવાસીઓ સાથે પણ વ્યભિચાર કર્યો, છતાં તું ધરાઇ નહિ.” પ્રભુ પરમેશ્વર કહે છે કે, “તું કેવી કામાતુર મનની છે. એક નિર્લજ્જ વેશ્યાની જેમ તેં આ બધું કર્યું છે. તેં પ્રત્યેક જાહેર ચોકમાં મૂર્તિપૂજાનાં સ્થાનકો ઊભાં કર્યાં છે અને દરેક શેરીને નાકે ઊંચા ઓટલા બંધાવ્યા છે. છતાં તું બીજી વેશ્યાઓ જેવી તો નહોતી, કારણ, તને વેતન લેવા પ્રત્યે નફરત હતી. તું વ્યભિચારી પત્ની જેવી છે, જે પોતાના પતિને બદલે પરાયા પુરુષોને અપનાવવાનું પસંદ કરે છે. પુરુષો વેશ્યાને બક્ષિસો આપે છે, પણ તું તો તારા બધા આશકોને બક્ષિસો આપે છે અને તેઓ ચારે તરફથી તારી સાથે વ્યભિચાર કરવા આવે તે માટે તું તેમને લાંચ આપે છે. તારી વેશ્યાવૃત્તિની બાબતમાં તો તું બીજી સ્ત્રીઓ કરતાં જુદી પડે છે. કોઇ તારી સાથે વ્યભિચાર કરવા પાછળ પડતો નથી; તું તેમને તે માટે વેતન આપે છે, નહિ કે તને કોઇ વેતન આપે છે. આમ, તું સાવ વિચિત્ર છે.” એ માટે, હે વેશ્યા, પ્રભુ પરમેશ્વરની વાણી સંભાળ; પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તેં તારા આશકો સાથેની તારી વેશ્યાગીરીમાં તારી આબરૂ લૂંટાવી છે અને તારી લાજ ઉઘાડી પાડી છે તેને લીધે અને તારાં ઘૃણાસ્પદ કૃત્યોની સર્વ મૂર્તિઓને લીધે અને એ મૂર્તિઓને અર્પણ કરેલાં તારા સંતાનોના લોહીને લીધે હું આમ કરીશ. તને ગમતા કે નહિ ગમતા એવા તારી સાથે રંગરાગ માણનારા તારા સર્વ આશકોને હું એકઠા કરીશ. તેમને હું ચારે તરફથી લાવીને તારી સામે ભેગા કરીશ અને તેઓ તારી પૂરેપૂરી નગ્નતા જુએ તે માટે હું તેમની આગળ તારી આબરૂ ઉઘાડી પાડીશ. હું તને વ્યભિચારી અને ખૂની સ્ત્રીઓને કરવાપાત્ર સજા ફટકારીશ અને મારા આવેશમાં રોષે ભરાઇને તને મૃત્યુદંડ ફરમાવીશ. હું તને તેમના હાથમાં સોંપી દઇશ અને તેઓ તારી મૂર્તિપૂજાનાં સ્થાનકો અને વ્યભિચારના ચોતરા તોડી પાડશે. તેઓ તારાં વસ્ત્રો ઉતારી લેશે, તારા અલંકારો લઇ લેશે અને તને સાવ નાગી ઉઘાડી છોડી દેશે. તેઓ તારી સામે ટોળાબંધ આવશે, તારા પર પથ્થરમારો કરશે અને પોતાની તલવારોથી તારા ટુકડેટુકડા કરી નાખશે. તેઓ તારાં મકાનો સળગાવી મૂકશે અને સ્ત્રીઓનાં ટોળાનાં દેખતાં તને શિક્ષા કરશે. હું તારી વેશ્યાવૃત્તિ બંધ કરાવીશ અને તારા આશકોને બક્ષિસો અપાવવાનું પણ અટકાવી દઇશ. ત્યારે જ તારી પરનો મારો રોષ સમી જશે અને મારો આવેશ ઊતરી જશે; પછી મને શાંતિ વળશે, અને હું ફરી ક્રોધે ભરાઇશ નહિ. તારા બાળપણમાં મેં તારી સાથે કરેલો વર્તાવ તું વીસરી ગઇ છે અને તારાં કૃત્યોથી મને રોષ ચડાવ્યો છે. તેથી હું પણ તને તારાં કૃત્યોનો બદલો આપીશ. તેં તો તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત આ લંપટતા પણ આચરી છે. હું પ્રભુ પરમેશ્વર આ કહું છું.” વળી, પ્રભુએ કહ્યું, “હે યરુશાલેમ, કહેવતો ટાંકનારા તારા માટે આ કહેવત ટાંકશે: ‘જેવી મા તેવી દીકરી.’ તું તારી માની સાચી દીકરી છે. તે તેના પતિને અને સંતાનોને ધિક્કારતી હતી. તું તારી બહેનોના જેવી જ છે. તેઓ પણ તેમના પતિઓને અને તેમનાં સંતાનો પ્રત્યે ઘૃણા રાખતી હતી. તમારી મા હિત્તી હતી અને તમારો પિતા અમોરી હતો. તારી ઉત્તર તરફ પોતાની પુત્રીઓ સાથે રહેનારી સમરૂન તારી મોટી બહેન છે. સદોમ તારી નાની બહેન છે. તેમને માર્ગે ચાલીને તેમનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુસરણ કરવાનું તું ચૂકી નથી. બલ્કે, થોડા જ સમયમાં તું તારાં સર્વ આચરણમાં તેમના કરતાં પણ વધુ ભ્રષ્ટ બની. હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને કહું છું કે, તારી બહેન સદોમ અને તેની પુત્રીઓએ તારી અને તારી પુત્રીઓ જેટલી અધમતા આચરી નથી. તારી બહેન સદોમનો અપરાધ આ હતો: તે અને તેની પુત્રીઓ અતિશય ખાનપાન અને સુખચેનને લીધે સાવ ઉદ્ધત અને બેફિકર બની ગઇ હતી. તેઓ ગરીબો અને પીડિતોને મદદ કરતી નહોતી. તેઓ મદોન્મત બની ગઇ હતી અને મારી દષ્ટિમાં ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી. તેથી મેં તેમનો વિનાશ કર્યો, એ તું જાણે છે. તેં જેટલાં પાપો કર્યા છે, તેનાથી અર્ધાં પાપ પણ સમરૂને કર્યાં નહોતાં. તેં તો તારી બહેનો કરતાં એટલાં અધિક ઘૃણાસ્પદ કૃત્યો કર્યાં છે કે તારી સરખામણીમાં તેઓ વધુ સારી લાગે. તારે તો તારાં કૃત્યો માટે લજ્જિત થવું જોઈએ. તારી બહેનોનાં પાપની સરખામણીમાં તારાં પાપ એટલાં અધમ છે કે તેઓ નિર્દોષ લાગે. તું તારી બહેનોને પણ બિનગુનેગાર ઠરાવે તેવી છે. તેથી તારે લજવાવું પડશે અને ફજેત થવું પડશે.” વળી પ્રભુ યરુશાલેમને કહે છે: “હું સદોમ અને તેની પુત્રીઓને, સમરૂન અને તેની પુત્રીઓને ફરીથી આબાદ કરીશ અને સાથોસાથ તને પણ ફરી આબાદ કરીશ. તારે તારી જાતથી શરમાવું પડશે. તેં જે કંઈ કર્યું છે તેથી તારે ફજેત થવું પડશે, અને તે જોઈને તારી બહેનોને દિલાસો મળશે. તારી બહેન સદોમ અને તેની પુત્રીઓ, તારી બહેન સમરૂન અને તેની પુત્રીઓ પહેલાંના જેવી સમૃધ થઇ જશે અને તું તથા તારી પુત્રીઓ પણ અગાઉની આબાદી પ્રાપ્ત કરશો. તારી દુષ્ટતા ખુલ્લી પડી ગઇ તે પહેલાં તારી મગરુરીના સમયમાં તારી બહેન સદોમનું નામ પણ તારા મુખમાં મજાકરૂપ હતું. આજે તો અદોમની પુત્રીઓ અને તેની પડોશની પલિસ્તીઓની પુત્રીઓ તારી હાંસી ઉડાવે છે અને તારી આસપાસના સર્વ લોકો તને ધિક્કારે છે. તારે તો તારી લંપટતા અને તારાં સર્વ ઘૃણાસ્પદ કૃત્યોનાં ફળ ભોગવવાં પડશે. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.” પ્રભુ પરમેશ્વર કહે છે: “હું તારી સાથે તારાં કૃત્યોને છાજે એવો વ્યવહાર રાખીશ. કારણ, તેં કરાર તોડયો છે અને તેં તારી પ્રતિજ્ઞાઓનો અનાદર કર્યો છે. તથાપિ તારી યુવાનીના સમયમાં મેં તારી સાથે કરેલો કરાર હું યાદ રાખીશ અને તારી સાથે શાશ્વત ટકે તેવો કરાર કરીશ. ત્યારે તને તારાં આચરણ યાદ આવશે અને જ્યારે તું તારી મોટી અને નાની બહેનને પાછી અપનાવીશ ત્યારે તું શરમાશે. તારી સાથે કરેલા કરારનો ભાગ ન હોવા છતાં હું તારી બહેનોને તારી પુત્રીઓના રૂપમાં તને પાછી મેળવી આપીશ. હું તારી સાથે નવેસરથી કરાર કરીશ અને ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું. હું તારા સર્વ દુરાચારની તને ક્ષમા આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને શરમને કારણે તારું મોં પણ ઉઘાડી શકશે નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.” વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓ સમક્ષ એક ઉખાણું રજૂ કર અને તેમની સાથે રૂપક વાપરીને વાત કર. તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: વિશાળ પાંખો, લાંબા પગ અને રંગબેરંગી ભરાવદાર પીંછાવાળો એક મોટો ગરુડ લબાનોનમાં આવ્યો. તેણે ગંધતરુની ટોચની ડાળખી તોડી લીધી. તે તેને સોદાગરોના દેશમાં લઇ ગયો અને સોદાગરોના નગરમાં તે ડાળખી રોપી. પછી તેણે ઇઝરાયલની ભૂમિમાંથી દ્રાક્ષાવેલાનો રોપો લઇ જઇને ફળદ્રુપ જમીનમાં જળાશય પાસે રોપ્યો. ત્યાં તેની વૃધિ માટે પુષ્કળ પાણી હતું. દ્રાક્ષાવેલાને કૂંપળો ફૂટી અને તે વધીને નીચા કદનો ફાલેલો દ્રાક્ષાવેલો બન્યો. તેની ડાળીઓ ઊંચી વધીને ગરુડ તરફ ફેલાઇ અને તેના મૂળ ઊંડાં ગયાં. તે વેલો ડાળીઓ અને પાંદડાંથી છવાઇ ગયો. વિશાળ પાંખોવાળો અને ભરાવદાર પીંછાવાળો એક બીજો મોટો ગરુડ હતો. પેલા દ્રાક્ષાવેલાએ પોતાને જ્યાં રોપવામાં આવ્યો હતો તે ક્યારામાંથી પોતાનાં મૂળ અને પોતાની ડાળીઓ એ ગરુડ તરફ ફેલાવ્યાં, કે જેથી તે તેને વધારે પાણી સીંચે. હવે એ દ્રાક્ષાવેલાને તો ફળદ્રુપ ભૂમિમાં મોટા જળાશય પાસે જ રોપવામાં આવ્યો હતો કે જેથી તેને ડાળીઓ ફૂટે અને તેને ફળ આવે અને તે ઉત્તમ દ્રાક્ષાવેલો બને.” તો હવે તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ પૂછે છે: “શું તે દ્રાક્ષાવેલો ફાલશે-ફૂલશે? શું પ્રથમ ગરુડ એને સમૂળગો ઉખેડી નહિ નાખે? તે તેને ઉખેડી નાખશે અને તેની દ્રાક્ષો વીણી લેશે; જેથી તે દ્રાક્ષાવેલો તેના બધાં પાંદડા સહિત ચીમળાઇ જશે. એને રોપ્યો તો ખરો, પણ શું એ ફાલશેફૂલશે? પૂર્વના પવનો તેના પર ફૂંકાશે ત્યારે શું તે તેના સપાટાથી સુકાઇ નહિ જાય? જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં જ સુકાઇ નહિ જાય?” પછી પ્રભુનો સંદેશ મને મળ્યો: તું આ બંડખોર ઇઝરાયલીઓને પૂછ: “તમે આનો અર્થ સમજો છો? તેમને કહે કે બેબિલોનનો રાજા યરુશાલેમ આવ્યો અને એ યરુશાલેમના રાજાને અને તેના અધિકારીઓને બંદી બનાવીને પોતાની સાથે બેબિલોનમાં લઇ ગયો. તેણે રાજાના કુટુંબના એક પુરુષ સાથે સંધિનો કરાર કર્યો અને તેની પાસે તે માટે સમ લેવડાવ્યા. તે પોતાની સાથે દેશના આગેવાનોને બાન તરીકે ઉઠાવી ગયો કે જેથી તે રાજ્ય નિર્બળ બને અને ફરીથી માથું ન ઊંચકે, પણ સંધિ કરારનું પાલન કરીને તે ટકી રહે. પણ યહૂદિયાના રાજાએ તેની વિરુદ્ધ બંડ કર્યું અને ઘોડા તથા મોટું સૈન્ય મેળવવા ઇજિપ્તમાં રાજદૂત મોકલ્યા. શું તે સફળ થશે? આવાં કામો કરીને તે બચવા પામશે? સંધિકરારનો ભંગ કરીને તે છટકી જશે? હું પ્રભુ પરમેશ્વર પોતાના સમ લઈને કહું છું કે તે રાજા બેબિલોનમાં મરણ પામશે, કારણ, તેણે લીધેલા સમ તુચ્છ ગણ્યા અને તેને રાજા બનાવનાર રાજા સાથેના સંધિકરારનો તેણે ભંગ કર્યો. જ્યારે બેબિલોનના લોકો ઘણા માણસોનો સંહાર કરવા માટીના ટીંબા બાંધીને અને ખાઇઓ ખોદીને ઘેરો ઘાલશે ત્યારે ફેરો પાસે મોટું અને બળવાન લશ્કર હોવા છતાં સહાય કરી શકશે નહિ. પોતે લીધેલા સમ તુચ્છ ગણીને કરારનું ઉલ્લંઘન કર્યું છે અને વચન આપ્યાં છતાં એ કર્યું છે, તેથી તે બચવા પામશે નહિ.” પ્રભુ પરમેશ્વર પોતાના સમ લઈને કહે છે: એણે મારે નામે લીધેલ સમ તુચ્છ ગણીને મારે નામે કરેલા સંધિકરારનો ભંગ કર્યો છે તેથી હું નક્કી તેનો બદલો વાળીશ. હું તેના પર મારી જાળ બિછાવીશ અને તેને મારા ફાંદામાં ફસાવી દઇશ. હું તેને બેબિલોનમાં લઇ જઇને સજા કરીશ. કારણ, તેણે મારી સાથે વિશ્વાસભંગ કર્યો છે. એના સૈન્યના શ્રેષ્ઠ યોદ્ધાઓ લડાઇમાં માર્યા જશે અને બચી ગયેલાઓ ચારે દિશામાં વિખેરાઇ જશે, ત્યારે તમે જાણશો કે હું પ્રભુ એ બોલ્યો છું.” પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “હું આ ઊંચા ગંધતરુની ટોચની ડાળી પરથી એક કુમળી કૂંપળ તોડી લઇશ અને તેને એક ઊંચા અને ઉન્‍નત પર્વત પર રોપીશ. હું તેને ઇઝરાયલના સૌથી ઊંચા પર્વત પર રોપીશ. એને ડાળીઓ ફૂટશે અને ફળ આવશે અને તે ગંધતરુનું વિશાળ વૃક્ષ બનશે. સર્વ જાતનાં પક્ષીઓ તેની ડાળીઓની છાયામાં નિવાસ કરશે. ત્યારે દેશનાં સર્વ વૃક્ષો જાણશે કે હું પ્રભુ છું. હું જ ઊંચાં વૃક્ષોને નીચાં ને નીચાં વૃક્ષોને ઊંચાં બનાવું છું. હું લીલાં વૃક્ષોને સૂકવી નાખું છું ને સૂકાં વૃક્ષોને ખીલવું છું. હું પ્રભુ આ બોલ્યો છું અને હું તે પાર પાડું છું.” વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો: “ઇઝરાયલ દેશમાં તમે શા માટે કહેવતનો વારંવાર ઉપયોગ કરો છો કે, ‘પિતાઓએ ખાટી દ્રાક્ષ ખાધી અને સંતાનોનાં દાંત ખટાઇ ગયા?’ હું પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઇને કહું છે કે હવે પછી ઇઝરાયલમાં તમે ફરી કદી આ કહેવત વાપરશો નહિ. સર્વ જીવો મારા છે. પિતા અને પુત્ર બન્‍નેના પ્રાણ પર મારો અધિકાર છે. જે માણસ પાપ કરશે તે જ મરશે. જો કોઈ માણસ નેક હોય ને તે ન્યાયનીતિ પ્રમાણે વર્તતો હોય અને પર્વતો પર મૂર્તિઓનાં પૂજાસ્થાનોમાં ચડાવેલ બલિ ખાતો ન હોય, પડોશીની સ્ત્રી સાથે વ્યભિચાર કરતો ન હોય અને રજ:સ્વલા સ્ત્રી સાથે સમાગમ કરતો ન હોય, કોઈના પર અત્યાચાર કરતો ન હોય, કોઈને ઠગતો ન હોય કે કોઈને લૂંટતો ન હોય, દેવાદારે ગીરો મૂકેલ વસ્તુ તેને પાછી આપતો હોય, જેણે કોઈને લૂંટયો ન હોય, ભૂખ્યાંને ભોજન ને વસ્ત્રહીનને વસ્ત્ર આપતો હોય, વ્યાજ કે વટાવ ખાતો ન હોય, દુરાચાર કરતો ન હોય, અને વાદીપ્રતિવાદી વચ્ચે સચોટ ન્યાય ચૂકવતો હોય, મારી આજ્ઞાઓને અનુસરતો હોય ને મારા નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરતો હોય તો એવો માણસ નેક છે અને એ જરૂર જીવતો રહેશે. “જો એ માણસનો પુત્ર અત્યાચારી અને ખૂની નીકળે, અને એના પિતાએ કદી ન કર્યાં હોય એવાં કામો કરે એટલે પર્વતો પર મૂર્તિઓનાં પૂજાસ્થાનોમાં ચડાવેલ બલિ ખાતો હોય, પોતાના પાડોશીની સ્ત્રી સાથે વ્યભિચાર કરતો હોય, ગરીબો અને ગરજવાનો પર અત્યાચાર ગુજારતો હોય, લૂંટફાટ કરતો હોય, દેવાદારની ગીરો મૂકેલ વસ્તુ પાછી આપતો ન હોય, પરદેશીઓની મૂર્તિઓનું ધ્યાન કરતો હોય અને ઘૃણિત કાર્યો કરતો હોય, વ્યાજે નાણા ધીરતો હોય ને વટાવ ખાતો હોય તો શું તે જીવશે? તે નહિ જ જીવે. તેણે આ બધાં ઘૃણાસ્પદ કાર્યો કર્યાં છે અને તેથી એ નક્કી માર્યો જશે. તેનું રક્ત તેને માથે. હવે ધારો કે એ વ્યક્તિને પુત્ર હોય, જે પોતાના પિતાનાં બધાં પાપો જોયાં છતાં પિતાનાં આચરણને અનુસરતો ન હોય; એટલે કે, ઇઝરાયલીઓની મૂર્તિઓની પૂજા કરતો ન હોય, અને પર્વતો પર મૂર્તિઓનાં પૂજાસ્થાનોમાં ચડાવેલ બલિ ખાતો ન હોય, બીજા માણસની પત્ની સાથે વ્યભિચાર કરતો ન હોય, કોઇના પર અત્યાચાર ગુજારતો ન હોય, કે લૂંટફાટ કરતો ન હોય, દેણદારે ગીરો મૂકેલ વસ્તુ પાછી આપતો હોય, ભૂખ્યાને ભોજન અને વસ્ત્રહીનને વસ્ત્રો આપતો હોય, ગરીબને સતાવતો ન હોય, વ્યાજે નાણાં ધીરતો ન હોય કે વટાવ ખાતો ન હોય, પણ મારી આજ્ઞાઓ અનુસાર વર્તતો હોય અને મારા નિયમો પાળતો હોય, તો એના પિતાના પાપોને લીધે તે માર્યો જશે નહિ; પણ તે નક્કી જીવતો રહેશે. પણ તેના પિતાએ તો અત્યાચાર ગુજાર્યો હતો, જાતભાઇને જોરજુલમથી લૂંટયો હતો અને હંમેશા બીજા પ્રત્યે દુષ્ટતા આચરી હતી; તેથી તેને તો પોતાના પાપને લીધે માર્યા જવું પડશે. “તમે પૂછશો કે, ‘પોતાના પિતાનાં પાપને લીધે પુત્રને કેમ સજા થવી ન જોઈએ?’ તેનો ઉત્તર આ છે: પુત્ર ન્યાય, નીતિ અને સચ્ચાઇથી વર્ત્યો છે. તેણે મારા સર્વ નિયમો નિષ્ઠાથી પાળ્યા છે, તેથી તે નક્કી જીવશે. જે માણસ પાપ કરે તે જ માર્યો જશે. પિતાના પાપનું ફળ પુત્રે ભોગવવું પડશે નહિ અને પુત્રના પાપનું ફળ પિતાએ ભોગવવું પડશે નહિ. સદાચારીનો સદાચાર તેના લાભમાં લેખાશે અને દુષ્ટ તેની દુષ્ટતા માટે જવાબદાર ઠરશે. પણ કોઈ દુષ્ટ માણસ પોતાનાં પાપનો ત્યાગ કરે અને મારા સર્વ નિયમો પાળે અને ન્યાયનીતિ અને સચ્ચાઇથી વર્તે તો તે મરશે નહિ; તે જીવતો રહેશે. તેણે કરેલાં પાપોમાંથી કોઇ પાપ તેને અપરાધી ઠરાવવા યાદ કરવામાં આવશે નહિ; પણ પોતાની નેકીને કારણે એ જીવશે.” પ્રભુ પરમેશ્વર પૂછે છે: “શું કોઇ દુષ્ટના મોતથી મને આનંદ થાય? મને તો તે પોતાના પાપથી વિમુખ થાય અને જીવતો રહે તો જ આનંદ થાય. પણ જો સદાચારી સદાચરણ છોડી દઇ દુષ્ટ માણસોનાં જેવાં અધમ ને ધિક્કારપાત્ર કૃત્યો કરવાનું શરૂ કરે તો શું તે જીવતો રહેશે? ના, કદી નહિ. તેણે કરેલાં સર્ત્ક્યોમાંનું એકેય યાદ કરવામાં આવશે નહિ, તે તો તેના નિષ્ઠાત્યાગને લીધે તથા તેનાં પાપને લીધે માર્યો જશે. “આમ છતાં તમે કહો છો કે પ્રભુનો વ્યવહાર વ્યાજબી નથી. હે ઇઝરાયલીઓ, સાંભળો: શું મારો વ્યવહાર વાજબી નથી? વ્યવહાર તો તમારો ગેરવાજબી છે. જો સદાચારી પોતાની નેકીમાંથી હટી જાય અને પાપ કરે છે તો તે માર્યો જાય છે. પોતે આચરેલ દુષ્ટતાને કારણે તે માર્યો જાય છે. વળી, જો દુષ્ટ પોતાની દુષ્ટતાનો ત્યાગ કરે અને ન્યાયનીતિ તથા સચ્ચાઇથી વર્તે તો તે પોતાની જિંદગી બચાવશે. પોતાના અપરાધોનું ભાન થતાં તે પાપ કરવાનું મૂકી દે તો તે નક્કી જીવતો રહેશે અને માર્યો જશે નહિ. છતાં તમે ઇઝરાયલીઓ કહો છો કે, ‘પ્રભુનો વ્યવહાર વાજબી નથી.’ હે ઇઝરાયલીઓ, શું મારો વ્યાજબી નથી? કે પછી તમારો વ્યવહાર વાજબી નથી? એ માટે હે ઇઝરાયલીઓ, હું પ્રભુ પરમેશ્વર તમને કહું છું કે હું તમારા પ્રત્યેકનો તેનાં આચરણ અનુસાર ન્યાય કરીશ. તમે દુષ્ટતા આચરો છો તેનાથી પાછા ફરો, નહિ તો તમારાં પાપ તમારા વિનાશનું કારણ થઇ પડશે. તમે તમારી આચરેલી બધી ભૂંડાઇનો ત્યાગ કરો અને નવું મન ને નવો આત્મા પ્રાપ્ત કરો. હે ઇઝરાયલીઓ, તમે શા માટે મરવા માંગો છો? પ્રભુ પરમેશ્વર કહે છે કે કોઇના મોતથી મને આનંદ થતો નથી; તેથી તમારાં પાપથી પાછા ફરો અને જીવતા રહો.” ઈશ્વરે મને ઇઝરાયલના બે રાજવીઓ વિષે વિલાપ ગીત ગાવા કહ્યું: “તમારી મા સિંહણ હતી, તે સિંહોની સાથે રહેતી હતી; તે વિકરાળ સિંહો વચ્ચે પોતાનાં બચ્ચાનું પાલનપોષણ કરતી હતી. તેણે પોતાના એક બચ્ચાને ઉછેર્યું. તે જુવાન સિંહ બન્યો. તે શિકાર પકડતાં શીખ્યો અને માનવોનો ભક્ષ કરવા લાગ્યો. બીજી પ્રજાઓએ એને વિષે સાંભળ્યું અને તેને ખાડામાં સપડાવ્યો, તેઓ તેને સાંકળોથી બાંધી ઇજિપ્ત દેશમાં લઇ ગયા. પોતાની આશા ફળીભૂત થઇ નથી એવું જોતાં તેની માની બધી અપેક્ષાઓ લોપ થઇ ગઈ. તેથી તેણે એક બીજા બચ્ચાંને ઉછેર્યું અને તે જુવાન સિંહ બન્યો. તે પુખ્ત સિંહ થતાં બીજા સિંહો સાથે શિકારની શોધમાં ફરવા લાગ્યો. તે પણ શિકાર કરતાં શીખ્યો, ને માનવભક્ષી બન્યો. તેણે કિલ્લાઓ તોડી પાડયા અને નગરોને વેરાન કરી નાખ્યા. તેની ગર્જનાથી દેશના લોકો ભયથી ધ્રૂજી ઊઠતા. ત્યારે આસપાસના પ્રાંતોમાંથી બધા લોકો તેની સામે ચઢી આવ્યા. તેમણે પોતાની જાળ બિછાવીને તેને ખાડામાં સપડાવ્યો. તેમણે તેને સાંકળોથી બાંધીને પાંજરામાં પૂર્યો અને તેને બેબિલોનના રાજા પાસે લઇ ગયા. ત્યાં તેને કેદમાં પૂરવામાં આવ્યો અને તે પછી ઇઝરાયલના પહાડો પર તેની ગર્જના ફરી ક્યારેય સંભળાઇ નહિ. તમારી મા પણ તમારા વંશમાં ઝરણાને કિનારે રોપાયેલી દ્રાક્ષાવેલા જેવી હતી. ભરપૂર પાણી મળવાને કારણે તેને ફળથી લચી પડેલી પુષ્કળ ડાળીઓ હતી. તેની ડાળીઓ શાસકોના રાજદંડના જેવી મજબૂત હતી. તેની ગીચ ડાળીઓ અને ઊંચાઇ સૌને વિસ્મિત કરતી હતી. પણ તેને રોષપૂર્વક ઉખેડી નાખી જમીનદોસ્ત કરી દેવામાં આવી. પૂર્વના પવને તેનાં ફળ સૂકવી નાખ્યાં. તેની ડાળીઓ ભાંગી નાખવામાં આવી. તે સુકાઇ ગઇ અને અગ્નિમાં બળી ગઇ. હમણાં તેને સૂકા અને નિર્જળ રણપ્રદેશમાં રોપવામાં આવી છે. તેના થડને આગ લાગી અને તેની ડાળીઓને અને ફળોને ભસ્મ કર્યાં છે. શાસકોનો રાજદંડ બને એવી એકેય મજબૂત ડાળી તેમાં રહી નથી.” આ વિલાપ ગીત છે. તે વારંવાર ગવાતું આવ્યું છે. દેશનિકાલના સાતમા વર્ષના પાંચમા માસને દસમે દિવસે ઇઝરાયલના કેટલાક આગેવાનો પ્રભુની ઇચ્છા જાણવા માટે આવીને મારી સામે બેઠા. ત્યારે પ્રભુએ મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના આગેવાનો સાથે વાત કરીને તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “શું તમે મારી ઇચ્છા જાણવા આવ્યા છો? હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને કહું છું કે હું તમને કશું પૂછવા દેવાનો નથી. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું. શું તું તેમનો ન્યાય તોળવા તૈયાર છે? હે મનુષ્યપુત્ર, શું તું તેમનો ચુકાદો આપવા તૈયાર છે? તો તેમને તેમના પૂર્વજોએ કરેલાં ધિક્કારપાત્ર કૃત્યો યાદ કરાવ. તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જ્યારે મેં ઇઝરાયલને પસંદ કર્યો અને ઇજિપ્ત દેશમાં યાકોબના વંશજો સમક્ષ મારો પરિચય આપ્યો, ત્યારે મેં તેમને સોગંદપૂર્વક જણાવ્યું હતું કે હું તમારો ઈશ્વર છું. તે દિવસે મેં તેમને સોગંદપૂર્વક જણાવ્યું હતું કે હું તમને ઇજિપ્તમાંથી મુક્ત કરીશ અને તમારે માટે મેં પસંદ કરેલા દેશમાં હું તમને લઇ જઇશ. તે દૂધ અને મધની રેલમછેલવાળો દુનિયાનો સૌથી રમણીય દેશ છે. મેં તેમને કહ્યું હતું કે, તમે જેમનું ધ્યાન ધર્યું છે એ ધિક્કારપાત્ર મૂર્તિઓને ફેંકી દો ને ઇજિપ્તની મૂર્તિઓથી પોતાને અશુદ્ધ ન કરો, કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું. પણ તેઓ મારી સામે થયા અને તેમણે મારી વાણી સાંભળવાનો ઇનકાર કર્યો. પોતે જેનું ધ્યાન ધરતા હતા એવી ધિક્કારપાત્ર મૂર્તિઓ ન તો તેમણે ફેંકી દીધી કે ન તો ઇજિપ્તની મૂર્તિઓનો ત્યાગ કર્યો. ત્યારે મેં વિચાર્યું કે હું ઇજિપ્તમાં જ તેમના પર મારો રોષ શમાવીશ. પણ તેઓ જે લોકોની વચ્ચે વસતા હતા અને જેમના દેખતાં મેં તેમને ઇજિપ્તદેશમાંથી મુક્ત કરીને પોતાને પ્રગટ કર્યો એ ઇજિપ્તી લોકોની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે તે રીતે હું વર્ત્યો. તેથી હું તેમને ઇજિપ્તમાંથી મુક્ત કરીને રણપ્રદેશમાં લઇ આવ્યો. મેં તેમને મારા નિયમો આપ્યા અને મારા આદેશ શીખવ્યા કે જેથી તેમનું પાલન કરનાર મનુષ્ય જીવન પ્રાપ્ત કરે. મેં તેમને અમારી વચ્ચેના કરારના ચિહ્ન તરીકે સાબ્બાથદિન પાળવાનું જણાવ્યું, જેથી તેમને યાદ રહે કે મેં પ્રભુએ તેમને મારે માટે અલગ કર્યા છે. પણ રણપ્રદેશમાંયે તેમણે મારી સામે બંડ કર્યું અને જેમનું પાલન કરવાથી મનુષ્યને જીવન પ્રાપ્ત થાય છે એવા મારા નિયમો પ્રમાણે તેઓ વર્ત્યા નહિ અને મારા આદેશોનો અમલ કર્યો નહિ. તેમણે સાબ્બાથોને પણ સંપૂર્ણ રીતે ભ્રષ્ટ કર્યા. આથી તેમના ઉપર મારો રોષ ઠાલવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં વિચાર કર્યો. પણ જે પ્રજાઓના દેખતાં મેં તેમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા તેમની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે એ રીતે હું વર્ત્યો. આથી મેં રણપ્રદેશમાં સમ ખાધા કે દૂધ અને મધની રેલમછેલવાળો દુનિયાનો જે સૌથી રમણીય દેશ મેં તેમને આપ્યો હતો, ત્યાં હું તેમને લઇ જઇશ નહિ. કારણ, તેમણે મારા આદેશોનો અનાદર કર્યો છે, મારા નિયમો પ્રમાણે તેઓ વર્ત્યા નથી અને સાબ્બાથદિન અપવિત્ર કર્યા છે. તેમનું મન તો મૂર્તિઓમાં જ લાગેલું હતું. તેમ છતાં મેં તેમના પ્રત્યે દયા દર્શાવીને તેમનો નાશ ન કર્યો. એટલે રણપ્રદેશમાં જ તેમનો પૂરેપૂરો સંહાર ન કર્યો. એને બદલે, તેમનાં સંતાનોને રણપ્રદેશમાં ચેતવણી આપતાં મેં કહ્યું, ‘તમારા પૂર્વજોના નિયમો પ્રમાણે વર્તશો નહિ. તેમના આદેશોનો અમલ કરશો નહિ, તેમની મૂર્તિઓથી તમારી જાતને વટાળશો નહિ. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. તમે મારા નિયમો પ્રમાણે વર્તો ને મારા આદેશોનો અમલ કરો. મારા સાબ્બાથો પવિત્ર માનો, જેથી તે આપણી વચ્ચેના કરારની નિશાની બને અને તેથી તમને ખ્યાલ રહે કે હું પ્રભુ, તમારો ઈશ્વર છું.’ પણ તે પેઢીએ પણ મારી સામે બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે વર્ત્યા નહિ અને મારા આદેશોનો અનાદર કર્યો, કે જેમનું પાલન કરવાથી તો મનુષ્ય જીવન પ્રાપ્ત કરે છે. તેમણે સાબ્બાથદિનને અપવિત્ર કર્યા. ત્યારે મેં ફરી તેમના ઉપર રણપ્રદેશમાં મારો કોપ ઠાલવીને મારો રોષ શમાવવા વિચાર કર્યો. પણ મેં તેમ કરવાથી મારા હાથ પાછો રાખ્યો. જે પ્રજાઓનાં દેખતાં મેં તેમને મુક્ત કર્યા હતા, તેમની દષ્ટિમાં મારા નામને લાંછન ન લાગે એ રીતે હું વર્ત્યો. આથી મેં રણપ્રદેશમાં બીજા શપથ લીધા કે હું તેમને અન્ય પ્રજાઓમાં વિખેરી નાખીશ અને વિશ્વના દેશોમાં તેમને વેરવિખેર કરી દઇશ. કારણ, તેમણે મારા આદેશોનો અમલ કર્યો નથી, મારા નિયમોનો અનાદર કર્યો છે, સાબ્બાથના દિવસોને ભ્રષ્ટ કર્યા છે અને તેમની મીટ તેમના પૂર્વજોની મૂર્તિઓની પૂજામાં મંડાયેલી છે. વળી, મેં તેમને આપેલા નિયમો કંઇ સારા નહોતા એવું નથી, અથવા એવા આદેશો નહોતા આપ્યા કે જે વડે તેઓ જીવે નહિ. મેં તેમને તેમનાં જ અર્પણોથી તેમને ભ્રષ્ટ થવા દીધા અને તેમના પ્રથમ જન્મેલા પુત્રોના બલિ ચડાવવા દીધા; જેથી તેઓ ત્રાસ પામે અને જાણે કે હું પ્રભુ છું. “તેથી હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને આમ કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તમારા પૂર્વજોએ મારી સાથે વિશ્વાસઘાત કરીને મને બીજી રીતે પણ અપમાનિત કર્યો છે. જે દેશ તેમને આપવાના મેં શપથ લીધા હતા તેમાં હું તેમને લઇ આવ્યો ત્યારે દરેક ઊંચા પહાડી શિખરને કે લીલા વૃક્ષને જોઈને ત્યાં તેમણે પોતાના બલિ ચડાવ્યા. તેમણે પોતાના સુવાસિત અગ્નિબલિથી અને પેયાર્પણથી મને રોષ ચડાવ્યો. મેં તેમને પૂછયું: તમે પૂજાનાં જે ઉચ્ચસ્થાનોએ જાઓ છો તે શું છે? અને ત્યારથી આજદિન સુધી તે ‘બામાહ’ એટલે ‘ઉચ્ચસ્થાન’ કહેવાય છે. હવે તું ઇઝરાયલીઓને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: શા માટે તમે તમારાં પૂર્વજોએ કરેલાં પાપ ફરીથી કરો છો અને તેમની જેમ મૂર્તિઓની પાછળ વંઠી જાઓ છો? તમે તે મૂર્તિઓ આગળ તમારા પૂર્વજો જેવાં જ અર્પણો ચડાવો છો અને તમે તમારાં બાળકોના અગ્નિબલિ ચડાવી પોતાને ભ્રષ્ટ કરો છો. વળી, એવાં કામો કર્યા પછી તમે મારી ઇચ્છા જાણવા મારી પાસે આવો છો! હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને કહું છું કે હું તમને મારા મનની ઇચ્છા જણાવીશ નહિ. તમે તમારા મનથી અન્ય પ્રજાઓ, કુળો અને દેશોની જેમ લાકડાંની અને પથ્થરની પૂજા કરવાનું નક્કી કર્યું છે, પણ તમારો એ ઇરાદો ફળીભૂત થશે નહિ. “હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને તમને ચેતવું છું કે મારો કોપ રેડી દઈને હું મારા બાહુબળ વડે અને મારી પૂરી તાક્તથી તમારા પર શાસન કરીશ. મારો કોપ રેડી દઈને મારા બાહુબળથી અને મારી પૂરી તાક્તથી હું તમને લોકોમાંથી મુક્ત કરીશ અને જે દેશોમાં તમે વિખેરાઇ ગયા છો ત્યાંથી તમને એકત્ર કરીશ. હું તમને પરદેશીઓના રણપ્રદેશમાં લાવીશ અને ત્યાં તમારી સાથે મોઢામોઢ વિવાદ કરીશ. મેં મિસરના રણપ્રદેશમાં તમારા પૂર્વજોની સાથે વિવાદ કર્યો હતો તેમ હું તમારી સાથે મોઢામોઢ વિવાદ કરીશ. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું. હું તમને પૂરા નિયંત્રણમાં લાવીશ અને તમને મારા કરારનું પાલન કરતા કરી દઈશ. હું તમારામાંથી બંડખોરોને અને અપરાધીઓને દૂર કરીશ; અત્યારે તેઓ જ્યાં રહે છે તે દેશોમાંથી તો હું તેમને બહાર કાઢી લાવીશ, પણ તેમને ઇઝરાયલના દેશમાં પ્રવેશવા દઇશ નહિ, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.” પ્રભુ પરમેશ્વર કહે છે, “હે ઇઝરાયલીઓ, જાઓ તમે સૌ તમારી મૂર્તિઓની પૂજામાં મંડયા રહો. પણ પાછળથી તમે મારું નહિ સાંભળો તો હું જોઇ લઇશ. તમારી મૂર્તિઓને તમારાં અર્પણો ચડાવવા દઇને હું તમને મારા પવિત્ર નામને કલંક લગાડવા નહિ દઉં. હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું: ઇઝરાયલ દેશમાં ઇઝરાયલી કોમના સર્વ લોકો, ઇઝરાયલના ઊંચા પર્વત, એટલે, મારા પવિત્ર પર્વત પર મારી આરાધના કરશે. ત્યાં હું તમારા પર પ્રસન્‍ન થઇશ અને તમારી પાસે સર્વ પ્રકારનાં બલિદાનો, તમારાં સર્વોત્તમ અર્પણો અને તમારી પવિત્ર ભેટો માગીશ. હું તમને પ્રજાઓમાંથી મુક્ત કરીશ અને જે દેશોમાં તમે વિખેરાઇ ગયા છો ત્યાંથી તમને એકત્ર કરીશ અને ત્યારે હું તમને સુવાસિત અગ્નિબલિની પેઠે સ્વીકારીશ અને પરદેશીઓનાં દેખતાં હું તમારામાં પવિત્ર મનાઇશ. વળી, હું તમને ઇઝરાયલ દેશમાં એટલે કે જે દેશ તમારા પૂર્વજોને આપવાના મેં સમ ખાધા હતા તેમાં પાછા લાવીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. ત્યારે કેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તમે પોતાને ભ્રષ્ટ કર્યા હતા તે તમને યાદ આવશે. તમે કરેલાં દુષ્કર્મોને કારણે તમને તમારી જાત પ્રત્યે ઘૃણા પેદા થશે. હે ઇઝરાયલ, જ્યારે હું તમારી સાથે તમારાં દુષ્ટ અને અધમ આચરણ અનુસાર નહિ વર્તતાં મારા નામને શોભે એવો વર્તાવ કરીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.” વળી, પ્રભુએ મારી સાથે બોલતાં મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તારું મુખ દક્ષિણ તરફ ફેરવ અને દક્ષિણ પ્રદેશને ઉદ્દેશીને અને દક્ષિણના ‘નેગેબ વન’ વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. દક્ષિણના વનને કહે કે પ્રભુ પરમેશ્વરની આ વાણી સાંભળ: “જો હું તારામાં આગ લગાડીશ, અને તે તારાં લીલાં કે સૂકાં દરેક વૃક્ષને ભરખી જશે. કોઇ એને ઓલવી શકે નહિ. તે દક્ષિણથી ઉત્તર સુધી પ્રસરી જશે અને દરેકનું મુખ અગ્નિજ્વાળાથી દાઝી જશે. બધા માણસો જોશે કે મેં, પ્રભુએ તે આગ લગાડી છે અને તે કોઈથીય બુઝાવી શકાય તેવી નથી.” ત્યારે મેં કહ્યું, “અરે, પ્રભુ પરમેશ્વર, મારી પાસે એવું કરાવશો નહિ. સૌ કોઇ મારે વિશે આ જ ફરિયાદ કરે છે કે, એ તો હંમેશા ગૂઢ વાણી જ ઉચ્ચારે છે.” પ્રભુનો સંદેશ મને મળ્યો, “હે મનુષ્યપુત્ર, યરુશાલેમ તરફ તારું મુખ ફેરવ, લોકોનાં પૂજાસ્થાનો વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. ઇઝરાયલ દેશને ચેતવણી આપ કે પ્રભુ આમ કહે છે: હું તારી વિરુદ્ધ છું. હું મારી તલવાર મ્યાનમાંથી કાઢીશ ને તારામાંના સૌનો સંહાર કરીશ. હું મ્યાનમાંથી મારી તલવાર કાઢીશ અને દક્ષિણથી ઉત્તર સુધી સદાચારી કે દુરાચારી સૌ કોઇ મારી તલવારનો ભોગ થઇ પડશે. ત્યારે સર્વ માણસો જાણશે કે મેં પ્રભુએ મારી તલવાર તાણી છે અને હું તે કદી પાછી મ્યાન કરવાનો નથી. “હે મનુષ્યપુત્ર, તારું હૃદય ભાંગી પડયું હોય તેમ દુ:ખથી નિસાસા નાખ. તું લોકોનાં દેખતાં દુ:ખના ઊંહકારા ભર. તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે કહેજે કે, ‘જે આવી પડવાનું છે તેના સમાચારને લીધે.’ એનાથી સૌનાં હૈયાં ભયથી કાંપી ઊઠશે, તેમના હાથ કમજોર થઇ જશે, તેમના હોશકોશ ઊડી જશે, ધૂંટણો લથડવા લાગશે. જે આવી પડવાનું છે તે આવી ગયું છે.” પ્રભુ પરમેશ્વર પોતે આમ બોલ્યા છે. પ્રભુનો સંદેશ મને મળ્યો, “હે મનુષ્યપુત્ર, સંદેશ પ્રગટ કર. લોકોને કહે કે પ્રભુ આમ કહે છે: તલવાર સરાણે ચડાવેલી અને ચકચકિત છે. તે સંહાર માટે સજાવાયેલી છે; વીજળીની જેમ ચમક્તી કરવા માટે તેને ચકચકિત બનાવવામાં આવી છે. એનાથી કોને હર્ષ થાય? પણ મારા લોકોએ શિક્ષાની સર્વ પ્રકારની સોટીઓ ગણકારી નથી. તેથી તો તલવારને વાપરવા ઓપ ચડાવાઇ રહ્યો છે. તેને ધાર ચડાવવામાં આવી રહી છે અને તેને ઓપ અપાઇ રહ્યો છે; જેથી તેને સંહારકના હાથમાં મૂકી શકાય. હે મનુષ્યપુત્ર, આક્રંદ કર, પોક મૂક. આ તલવાર મારા ઇઝરાયલી લોકો અને તેમના સર્વ આગેવાનો પર આવી પડી છે. તેઓ સૌ એક્સાથે તલવારથી માર્યા જવાના છે. માટે તારી છાતી કૂટ. ક્સોટી તો થશે જ; તમે જેને તુચ્છ ગણો છે એ સોટીથી જ એ થાય તો? હું પ્રભુ પરમેશ્વર આ કહું છું. “હે મનુષ્યપુત્ર, સંદેશ પ્રગટ કર. તારા હાથથી તાળી પાડ અને એ સંહારક તલવાર બે વાર, હા, ત્રણ વાર પ્રહાર કરશે. એ તો આસપાસ કત્લેઆમ કરનારી તલવાર છે. મેં તેમના શહેરના સર્વ પ્રવેશદ્વાર પર વીજળીની જેમ ઝબકારા મારતી અને સંહાર કરવાને તડપતી એવી તલવાર મૂકી છે; જેને જોઇને મારા લોકોનાં હૈયાં થરથર કાંપે છે અને તેઓ લથડિયાં ખાવા માંડે છે. હે ધારદાર તલવાર જમણી તરફ સંહાર કર, પછી ડાબી તરફ જા. જે તરફ ફર તે તરફ ક્તલ ચલાવ. હું પણ હાથ પછાડીશ ને મારો ક્રોધ શમાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.” વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો, “બેબિલોનના રાજાને પોતાની તલવાર સાથે આવવાના બે માર્ગ અંક્તિ કર. બન્‍ને માર્ગો એક જ દેશમાંથી નીકળતા હોવા જોઇએ. જ્યાં રસ્તા ફંટાતા હોય ત્યાં માર્ગદર્શક નિશાની મૂક. એક નિશાની રાજાની તલવારને આમ્મોનીઓના રાબ્બાહનગરમાં જવાનો માર્ગ દર્શાવે અને બીજી નિશાની યહૂદિયાના કિલ્લેબંધીવાળા નગર યરુશાલેમમાં જવાનો માર્ગ દર્શાવે. બેબિલોનનો રાજા રસ્તાઓ જ્યાં ફંટાય છે ત્યાં માર્ગદર્શક નિશાની આગળ ઊભો છે. કયે રસ્તે જવું તે જાણવા માટે તે તીર હલાવે છે, પોતાની મૂર્તિઓને પૂછે છે અને બલિ ચડાવેલ પ્રાણીનું કાળજું તપાસી જુએ છે. જો, તેના જમણા હાથમાં આવેલા તીરમાં ‘યરુશાલેમ’ના નામની ચિઠ્ઠી નીકળી છે. તે તેને ત્યાં જઇને કોટભંજક યંત્રો ગોઠવવા, સંહારનો આદેશ આપવા, રણનાદ પાડવા, અને દરવાજાઓ સામે દ્વારભંજક યંત્રો ગોઠવવા, માટીના ઢોળાવો ઊભા કરવા અને ખાઇઓ ખોદવા સૂચવે છે. પોતે કરેલ સંધિઓના કારણે યરુશાલેમના રહેવાસીઓને આ બધું જૂઠા શકુન જેવું લાગશે, પણ આ આગાહી તેમનાં પાપોનું તેમને સ્મરણ કરાવવા અને તેઓ કેદ પકડાશે તેની ચેતવણી આપવા માટે છે. હું પ્રભુ પરમેશ્વર કહું છું કે સૌની આગળ તમારા અપરાધ ખુલ્લા પડી ગયા છે. તમારા પ્રત્યેક કાર્યમાં તમારાં પાપ પ્રગટ થાય છે. તમે દોષિત માલૂમ પડયા છો, તેથી હું તમને તમારા શત્રુઓના હાથમાં સોંપી દઇશ. દુષ્ટ અને અપવિત્ર શાસક, તારો અંત આવી ગયો છે. તારી આખરી શિક્ષાનો દિવસ આવી પહોંચ્યો છે. પ્રભુ પરમેશ્વર કહે છે: “તારો રાજમુગટ અને તારી પાઘડી ઉતારી નાખ. કશું જ યથાવત્ સ્થિતિમાં રહેવાનું નથી. નીચાને ઊંચો અને ઊંચાને નીચો બનાવવામાં આવશે. ‘ખંડેર,’ ‘ખંડેર’, નિ:સંદેહ હું આ નગરને ખંડેર બનાવી દઇશ. પણ આનો હક્કદાર શાસક આવે નહિ ત્યાં સુધી આ બનવાનું નથી; પછી હું તેને તે આપીશ. “હે મનુષ્યપુત્ર, તું સંદેશ પ્રગટ કર કે ઇઝરાયલનું અપમાન કરતાં આમ્મોનીઓ વિષે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: તલવાર સંહાર માટે તાણેલી છે. સંહાર કરવા માટે તે વીજળીની જેમ ચમકે માટે તેને ઓપ આપવામાં આવ્યો છે. તમારાં સંદર્શન જૂઠાં છે, તમારી આગાહી ખોટી છે; તમે દુષ્ટ અને અધમ છો, તમારો અંત આવી પહોંચ્યો છે. તમારી આખરી શિક્ષાના દિવસ આવી પહોંચ્યા છે, તમારી ગરદન પર તલવાર વીંઝાનાર છે. તલવાર મ્યાન કરો; જે ભૂમિમાં તમે જનમ્યાં, જે સ્થળમાં તમારું સર્જન થયું ત્યાં હું તમારો ન્યાય કરીશ. હું તમારા પર મારો કોપ રેડીશ અને મારો ક્રોધાગ્નિ વરસાવીશ. હિંસાખોર અને ક્રૂર માણસોના હાથમાં હું તમને સોંપી દઇશ. તમે અગ્નિમાં બળતણરૂપ થઈ જશો. તમારા જ દેશમાં તમારું રક્ત રેડાશે. તમને હવે પછી કોઈ યાદ પણ કરશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.” વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો, “હે મનુષ્યપુત્ર, શું તું ન્યાય આપવા બેઠો છે? શું તું ન્યાય કરવાનો? જ્યાં ખૂનની પરંપરા ચાલી છે એવા નગરનો ન્યાય તોળવા તું તૈયાર છે? તો તું એને એનાં બધાં ધિક્કારપાત્ર કૃત્યો કહી બતાવ. નગરને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તેં તારા પોતાના ઘણા લોકોની હત્યા કરી છે અને તેં મૂર્તિઓ બનાવીને તેમની પૂજા દ્વારા તારી જાતને ભ્રષ્ટ કરી છે. હવે તારો વિનાશ આવી પહોંચ્યો છે. તેં કરેલાં ખૂનો માટે તું દોષિત છે અને તારી જ બનાવેલી મૂર્તિઓથી તું અશુદ્ધ થયેલ છે; એટલે, તારા વિનાશનો સમય આવી પહોંચ્યો છે. તેથી મેં તેને બધી પ્રજાઓની દષ્ટિમાં નિંદાપાત્ર અને સર્વ દેશની દષ્ટિમાં હાંસીપાત્ર બનાવ્યું છે. તું તો અંધાધૂંધીને માટે બદનામ થયેલું નગર છે. તારાથી દૂરના અને નિકટના દેશો તારી હાંસી ઉડાવે છે. જુઓ, ઇઝરાયલના બધા રાજપુરુષો પોતાની સત્તાને જોરે ખૂનરેજી ચલાવે છે. નગરમાં કોઇ પોતાનાં માતાપિતાનું સન્માન જાળવતું નથી. તેઓ પરદેશીઓનું બળજબરીથી પડાવી લે છે અને વિધવાઓ તથા અનાથો પર અત્યાચાર ગુજારે છે. તમે મારાં પવિત્રસ્થાનોને તુચ્છ ગણો છો અને તમે મારા સાબ્બાથો અપવિત્ર કર્યા છે. તમારામાં કેટલાક બીજાઓની હત્યા કરવા માટે તેમના ઉપર ખોટા આક્ષેપ મૂકે છે, કેટલાક મૂર્તિઓને ચડાવેલ બલિ ખાય છે, કેટલાક હંમેશા લંપટતા આચરે છે, કેટલાક પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે છે અને કેટલાક રજ:સ્વલા સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે. કેટલાક પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે, તો બીજા કેટલાક પોતાની પુત્રવધૂઓને ભ્રષ્ટ કરે છે, તો કોઇ પોતાની ઓરમાન બહેનોનો શીલભંગ કરે છે. કેટલાક માણસો લાંચ લઇને હત્યા કરે છે, કેટલાક નફો મેળવવા વ્યાજખોરી કરે છે, તો કેટલાકે પડોશીનું બળજબરીથી શોષણ કરીને લાભ મેળવ્યો છે. તેઓ સૌ મને વીસરી ગયા છે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું. તમે મેળવેલા અપ્રામાણિક લાભને લીધે અને તમે ચલાવેલી ખૂનરેજીને લીધે હું ક્રોધિત થઇને મારા હાથ ઉગામીને પ્રહાર કરીશ. હું તારી ખબર લઇ નાખીશ ત્યારે તારી હિંમત અને તારું બાહુબળ ટકી રહેશે ખરાં? હું પ્રભુ એ બોલ્યો છું અને હું તે પાર પાડીશ. હું તમને અન્ય પ્રજાઓમાં અને વિવિધ દેશોમાં વિખેરી નાખીશ અને તમારા ભૂંડાં કામોનો અંત આણીશ. તમારે લીધે જ તમે અન્ય પ્રજાઓમાં અપમાનિત થશો ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.” પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકો મારે માટે કચરા જેવા સાવ નકામા છે. તેઓ તો ચાંદી ગળાઇ ગયા પછી ભઠ્ઠીમાં રહી ગયેલાં તાંબુ, કલાઇ, લોખંડ અને સીસા જેવા છે; તેઓ તો રૂપાના ભેગ જેવા છે. આથી હું પ્રભુ પરમેશ્વર તેમને કહું છું કે તેઓ કચરા જેવા નકામા હોવાથી હું તેમને યરુશાલેમમાં એકત્ર કરીશ. જેમ લોકો રૂપાને, તાંબાને, લોઢાને, સીસાને અને કલાઇને ભઠ્ઠીમાં ભેગા કરીને તેમને આગથી ગાળે છે તેમ હું તમને મારા રોષમાં અને ક્રોધમાં આ શહેરમાં એકત્ર કરીને પિગાળીશ. હું તમને યરુશાલેમમાં એકઠા કરીશ, તમારી નીચે આગ પેટાવીશ અને મારા રોષની ભઠ્ઠીમાં તમને ઓગાળી નાખીશ. જેમ ચાંદી ભઠ્ઠીમાં પીગળી જાય છે તેમ તમને યરુશાલેમમાં પિગાળવામાં આવશે, ત્યારે તમે જાણશો કે મેં પ્રભુએ તમારા પર ક્રોધાગ્નિ વરસાવ્યો છે.” પ્રભુનો સંદેશ ફરી મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓને કહે કે તમારો દેશ અપવિત્ર અને કોપને દિવસે જેના પર વરસાદ વરસ્યો ન હોય તેવો દેશ છે. તમારા રાજપુરુષો કાવતરાંખોર છે. તેઓ તો શિકારને ફાડી ખાતી વખતે ગર્જના કરતા સિંહો જેવા છે. તેઓ માણસોને ફાડી ખાય છે. તેમની સંપત્તિ અને મૂલ્યવાન જરઝવેરાત લૂંટી લે છે અને ખૂનરેજી ચલાવી નગરમાં અનેક સ્ત્રીઓને વિધવા બનાવે છે. તમારા યજ્ઞકારો મારા નિયમોનો ભંગ કરે છે અને મને સમર્પિત થયેલી વસ્તુઓની પવિત્રતા જાળવતા નથી. તેમણે સમર્પિત અને સાધારણ વચ્ચે ભેદ રાખ્યો નથી અને લોકોને શુદ્ધ અને અશુધ વચ્ચેનો ભેદ શીખવતા નથી. તેઓ સાબ્બાથના દિવસોની ઉપેક્ષા કરે છે. પરિણામે, હું ઇઝરાયલી લોકોમાં સન્માન પામતો નથી. તેના રાજ્યાધિકારીઓ પોતાના શિકારને ફાડી ખાનાર વરુઓ જેવા છે. અપ્રામાણિક લાભ મેળવવા તેઓ હત્યા કરે છે અને લોકોના જીવનો ભોગ લે છે. કોઇ માણસ ચૂનાથી દીવાલ બબ્બેવાર ધોળે તેમ સંદેશવાહકો લોકોનાં પાપ ઢાંકે છે. તેઓ વ્યર્થ સંદર્શનો જૂએ છે અને જૂઠી આગાહી કર્યા કરે છે. હું તેમની સાથે બોલ્યો જ નથી, તો પણ તેઓ ‘પ્રભુ આમ કહે છે’ એવું લોકોને જણાવે છે. દેશના અનેક લોકો પણ ધાકધમકીથી પૈસા પડાવે છે. તેઓ ગરીબો અને ગરજવાનો પર અત્યાચાર કરે છે અને પરદેશીઓ પર બળજબરી કરી ગેરલાભ ઉઠાવવામાં પાછા પડતા નથી. મેં તેમના એક એવા માણસની શોધ કરી છે જે કોટને બાંધે અને દેશને બચાવવા કોટમાં પડેલાં ગાબડામાં ઊભો રહે અને મારા કોપમાં દેશનો વિનાશ કરતા મને રોકે. પણ મને એવો એકેય માણસ મળ્યો નહિ. આથી હું તેમના પર મારો ક્રોધાગ્નિ વરસાવનાર છું અને તેમનાં આચરણના ફળરૂપે મારા ક્રોધરૂપી અગ્નિથી તેમને ભસ્મ કરનાર છું. હું પ્રભુ પરમેશ્વર બોલ્યો છું.” પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, બે બહેનો હતી. તેઓ એક માની દીકરીઓ હતી. તેઓ ઇજિપ્તમાં હતી ત્યારે તેમની યુવાવસ્થામાં જ તેઓ વેશ્યાગીરી કરવા લાગી. ત્યાં જ તેમનાં સ્તનનું મર્દન કરવામાં આવ્યું હતું અને તેઓ પોતાનું કૌમાર્ય ગુમાવી બેઠી હતી. મોટીનું નામ ઓહોલા હતું; જે સમરૂન નગર સૂચવે છે અને નાનીનું નામ ઓહલીબા હતું; જે યરુશાલેમ સૂચવે છે. મેં તે બન્‍ને સાથે લગ્ન કર્યાં અને મારાથી તેમને સંતાનો થયાં. ઓહોલા મારી હતી છતાં તેણે વેશ્યાવૃત્તિ ચાલુ રાખી અને તે આશ્શૂરમાંના પોતાના પ્રેમીઓ પર મોહિત થઇ ગઇ હતી. તેઓ રાજદ્વારી પોશાકમાં સજ્જ થયેલા રાજ્યપાલો અને સેનાનાયકો હતા. તેઓ સૌ સુંદર જુવાનો અને ઘોડેસ્વારો હતા. તેઓ સૌ ઘોડેસ્વારી કરનારા દેખાવડા જુવાનો અને જાંબુડિયા ગણવેશ પહેરનારા હતા. તેઓ અમીર ઉમરાવો હતા. ઓહોલાએ આશ્શૂરના એ બધા સર્વશ્રેષ્ઠ પુરુષો સાથે વેશ્યાગીરી આદરી અને જેમના પર તે મોહી પડી હતી તે સૌની મૂર્તિઓની પૂજા કરીને તેણે પોતાને ભ્રષ્ટ કરી. તે ઇજિપ્તમાં જુવાન હતી ત્યારથી પુરુષો તેની સાથે શૈયાગમન કરતા. ત્યાં જ તે પોતાનું કૌમાર્ય ગુમાવી બેઠી હતી. ત્યાં તેણે આદરેલી વેશ્યાવૃત્તિનો તેણે ત્યાગ કર્યો નહિ. તેથી મેં તેને તેના આશ્શૂરી આશકોના હાથમાં સોંપી દીધી, કારણ, તેમના પ્રત્યે તે મોહાંધ બની હતી. તેમણે તેને નગ્ન કરી, તેનાં પુત્રપુત્રીઓને પકડયાં અને તેને તલવારથી મારી નાખી. તેમણે કરેલા તેના હાલહવાલને લીધે તે સ્ત્રીઓમાં બદનામ થઈ ગઈ. “તેની નાની બહેન ઓહલીબાએ આ બધું જોયું હોવા છતાં તે વધુ લંપટ નીકળી અને વેશ્યાવૃત્તિમાં તેની બહેનને પણ ટપી ગઈ. તે આશ્શૂરના રાજ્યપાલો અને સેનાનાયકો પર મોહી પડી. તેઓ સૌ સંપૂર્ણ શસ્ત્રસજ્જ સુંદર જુવાનો અને ઘોડેસ્વારો હતા. મેં જોયું કે તે સાવ ભ્રષ્ટ ચારિયની હતી. વાસ્તવમાં બન્‍ને બહેનોએ એક જ માર્ગ અપનાવ્યો હતો. પણ ઓહલીબા તેની વેશ્યાવૃત્તિમાં એથીય આગળ વધી ગઈ, તેણે ભીંત પર સિંદૂરથી ચીતરેલાં ખાલદીઓનાં ચિત્રો જોયાં તેમની કમરે કમરબંધ હતાં અને તેમણે માથે રંગિત સાફા બાંધેલા હતા. તેઓ ખાલદી દેશના રાજવંશી બેબિલોની પુરુષો જેવા દેખાતા હતા. તેમને જોતાંની સાથે જ તે તેમના પર મોહિત થઈ ગઈ અને તેમની પાસે બેબિલોનમાં સંદેશકો મોકલ્યા. બેબિલોનવાસીઓ તેની સાથે શૈયાસુખ માણવા આવ્યા અને તેમણે તેની સાથે વ્યભિચાર કરીને તેને અશુદ્ધ કરી. પણ પછી તેમના પરથી તેનું મન ઊઠી ગયું. આમ, તેણે ખુલ્લેઆમ વ્યભિચાર કર્યો. તેણે પોતાની નગ્નતા ઉઘાડી કરી તેથી મારું મન જેમ તેની બહેન પરથી તેમ તેના પરથી પણ ઊઠી ગયું. તોપણ ઇજિપ્ત દેશમાં પોતાની યૌવનાવસ્થા દરમ્યાન આદરેલી વૈશ્યાગીરીને સંભારીને તે વિશેષ વ્યભિચાર કરતી રહી. તે ગધેડા જેવા કામાંગી અને ઘોડા જેવા જનનશીલ પુરુષોથી મોહી પડી. એમ, તારી યૌવનાવસ્થામાં ઇજિપ્તના પુરુષોએ તારું કૌમાર્ય હરી લીધું હતું તે વખતની તારી લંપટતાનું તેં પુનરાવર્તન કર્યું. “તે માટે, હે ઓહલીબા, હું પ્રભુ પરમેશ્વર તને કહું છું કે, તારા જે આશકો પરથી તારું મન ઊઠી ગયું છે તેમને જ હું તારી વિરુદ્ધ ઊભા કરીશ અને તેઓ તને ચારે તરફથી ઘેરી વળે તેવું હું કરીશ. હું સર્વ બેબિલોનવાસીઓને, સર્વ ખાલદીઓને, પકોદ, શોઆ અને કોઆના વતનીઓને અને તેમની સાથે સર્વ આશ્શૂરીઓને લાવીશ. વળી, સુંદર જુવાનો, રાજ્યપાલો, સેનાનાયકો, અમલદારો અને ઘોડેસવારોને લઈ આવીશ. તેઓ રથો અને રણગાડીઓ અને બખ્તર, ઢાલ અને ટોપથી સજ્જ થયેલા સૈન્ય સાથે તારા પર ઉત્તરમાંથી ધસી આવશે. હું તેમના હાથમાં તારો ન્યાય સોંપી દઈશ. તેઓ તેમનાં ધોરણ પ્રમાણે તને સજા કરશે. હું તારા પર ક્રોધે ભરાયો છું. તેથી તેઓ તારા પ્રત્યે રોષપૂર્ણ વ્યવહાર કરશે. તેઓ તારાં નાકકાન કાપી લેશે, તારા સૈનિકોની કત્લેઆમ થશે. તેઓ તારાં પુત્રપુત્રીઓને તારી પાસેથી લઈ લેશે અને તેમને જીવતાં જ સળગાવી દેશે. તેઓ તારાં વસ્ત્રો ઉતારી લેશે અને તારાં આભૂષણો છીનવી લેશે. હું તારી કામવાસનાનો અને ઇજિપ્તથી આદરેલી તારી લંપટતાનો અંત આણીશ. તું હવે મૂર્તિઓ પર તારી દષ્ટિ નાખશે નહિ અને કદી ઇજિપ્તનું સ્મરણ કરશે નહિ.” પ્રભુ પરમેશ્વર કહે છે: “જે લોકો પ્રત્યે તને ધૃણા છે અને જેમના પરથી તારું મન ઊઠી ગયું છે તેમના હાથમાં હું તને સોંપી દઈશ. તેઓ તારી સાથે ધિક્કારપૂર્વક વર્તશે અને તારી બધી કમાણી તારી પાસેથી આંચકી લેશે અને તને નિર્વ ઉઘાડી છોડી દેશે અને એમ તારી વેશ્યાગીરી એટલે તારી લાજ અને લંપટતા ખુલ્લાં પડી જશે. અન્ય પ્રજાઓની સાથે સાથે તું પણ વ્યભિચારી બની; એટલે કે તેમની મૂર્તિઓથી તારી જાતને ભ્રષ્ટ કરી છે, તેથી એ બધું તારા પર વીતવાનું છે. તું તારી બહેનને માર્ગે ચાલી છે, તેથી હું તને તેના જ જેવી સજાનો પ્યાલો પીવા માટે આપીશ.” પ્રભુ પરમેશ્વર કહે છે: “તું તારી બહેનના પ્યાલામાંથી પીશે. તે પ્યાલો મોટો અને ઊંડો છે. એમાં જે ઘણુંબધું ભરેલું છે તેને લીધે બધાં તારી હાંસી કરશે અને તારી મજાક ઉડાવશે. તારી બહેન સમરૂનનો પ્યાલો તો આતંક અને વિનાશનો પ્યાલો છે. એ તને નશામાં ડૂબાડશે અને તને દુ:ખી બનાવશે. તું એ પ્યાલો છેલ્લા ટીપાં સુધી ગટગટાવી જશે અને તેના ભાગેલા કટકાથી તારી છાતી ચીરી નંખાશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું. વળી, હું પ્રભુ પરમેશ્વર કહું છું કે મને વીસરી જઈને તેં મારા તરફ તારી પીઠ ફેરવી દીધી છે, તેથી તારે તારી લંપટતા અને વ્યભિચારનાં ફળ ભોગવવાં પડશે.” પ્રભુએ મને કહ્યું,: “હે મનુષ્યપુત્ર, શું તું ઓહોલા અને ઓહલીબાનો ન્યાય ચૂકવવા તૈયાર છે? તો તેમણે કરેલાં ધૃણાસ્પદ કૃત્યો જાહેર કર. કારણ, તેમણે વ્યભિચાર કર્યો છે; તેમના હાથ ખૂનથી ખરડાયેલા છે, તેમણે મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે અને તેમણે મારાથી થયેલાં તેમના પુત્રોનો પોતાની મૂર્તિઓને અગ્નિબલિ તરીકે ભોગ ચડાવ્યો છે. એ ઉપરાંત તેમણે મારા મંદિરને અશુદ્ધ કર્યું છે, મેં સ્થાપેલા સાબ્બાથનો અનાદર કર્યો છે. તેમણે જે દિવસે પોતાનાં સંતાનોને મૂર્તિઓના અગ્નિબલિ તરીકે ભોગ ચડાવ્યો, તે જ દિવસે મારા મંદિરમાં આવી તેને અશુદ્ધ કર્યું. એમણે સંદેશકો મોકલીને દૂર દૂરથી માણસોને તેડાવ્યા અને તેઓ આવ્યા ત્યારે બે બહેનોએ સ્નાન કર્યું અને આંખોમાં ક્જળ આંજીને શૃંગાર સજયો. તેઓ ભપકાદાર દિવાન પર બેઠી અને સામે મેજ બિછાવી અને તે પર તેમણે મેં આપેલ સુગંધી ધૂપ તથા ઓલિવ તેલ મૂક્યાં. મોજીલા લોકોના ટોળાનો અવાજ સંભાળાતો હતો. તેમણે તે બન્‍ને સ્ત્રીઓને હાથે બંગડીઓ અને તેમને માથે સુંદર મુગટ પહેરાવ્યાં. મને થયું કે આ લોકો તો વેશ્યાગીરીમાં ક્ષીણ થઈ ગયેલી વેશ્યા સાથે પણ વ્યભિચાર કરશે; કારણ, છેવટે તો તે વેશ્યા જ છે. લોકો જેમ વેશ્યાગમન કરતા હોય છે તેમ જ તેમણે પણ એ લંપટ સ્ત્રીઓ ઓહોલા અને ઓહલીબા સાથે સમાગમ કર્યો. તેમણે એ વેશ્યાઓ સાથે વારંવાર સમાગમ કર્યો. સદાચારીઓ તો તેમને વ્યભિચારી અને હત્યારી સ્ત્રીઓ તરીકે શિક્ષા કરશે; કારણ, તેઓ છિનાળ છે અને એમના હાથ રક્તથી ખરડાયેલા છે.” પ્રભુ પરમેશ્વર કહે છે: “એમના પર આતંક ગુજારવા અને તેમને લૂંટી લેવા માટે ટોળાંને લઈ આવો. ટોળું ભલે તેમના પર પથ્થરમારો કરે, તેમના પર તલવારથી હુમલો કરે, તેમનાં બાળકોને મારી નાખે અને તેમનાં ઘરોને સળગાવી મૂકે. એ રીતે હું આખા દેશમાંથી લંપટતાનો અંત લાવીશ, જેથી બધી સ્ત્રીઓને તેમની જેમ વ્યભિચાર ન કરવાની ચેતવણી મળે. હું તમે બન્‍ને બહેનોને તમારી લંપટતા અને મૂર્તિપૂજાના પાપની સજા કરીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ પરમેશ્વર છું.” અમારા દેશનિકાલના નવમા વર્ષના દસમા માસના દસમા દિવસે પ્રભુનો સંદેશ મને મળ્યો. “હે મનુષ્યપુત્ર, આજના દિવસનાં તારીખવાર લખી લે; કારણ, આજે બેબિલોનના રાજાએ યરુશાલેમને ઘેરો ઘાલવાનો આરંભ કર્યો છે. આ બંડખોર લોકોને આ દષ્ટાંત કહી સંભળાવ. તેમને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે: દેગને ચૂલા પર ચડાવો અને તેમાં પાણી રેડો. એમાં માંસના સારાસારા ટુકડા નાખો એટલે જાંઘ અને બાવડાનું માંસ નાખો, તેમાં સારાંસારાં હાડકાં પણ મૂકો. તેમાં હૃષ્ટપુષ્ટ ઘેટાંનું માંસ પણ નાખો, દેગ નીચે લાકડાં મૂકો, પછી સારી પેઠે ઉકાળો, હાડકાં પણ માંસ સાથે બફાઈ જાય ત્યાં સુધી ઉકાળો.” પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “આ ખૂની નગરની અંતઘડી આવી પહોંચી છે. એ તો જે કદી સાફ કરવામાં નહિ આવેલી તથા કટાઈ ગયેલ દેગ જેવું છે. તેમાંથી માંસના એક પછી એક એમ બધા ટુકડા બહાર કાઢવામાં આવે છે. એ નગરમાં ખૂનરેજી થઈ હતી, અને રક્ત ધૂળમાં ઢંકાઈ જાય તેવી જમીન ઉપર તે રેડાયું ન હતું, પણ એ તો ખુલ્લા ખડક ઉપર રેડાયું હતું. એ રક્ત ઢંકાઈ જાય નહિ માટે મેં તેને ત્યાં જ રહેવા દીધું; જેથી એને જોઈને મારો પ્રકોપ જાગી ઊઠે અને બદલો લઈ શકાય.” પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “એ ખૂનીઓના નગરના દિવસો ભરાઈ ગયા છે. હું પોતે લાકડાંનો મોટો ઢગલો કરીશ. લાકડાંનો ઢગલો વધારો અને આગ વધારે પેટાવો. હાડકાં પણ ઓગળી જાય ત્યાં સુધી માંસને ઉકાળો. હવે એ ખાલી કરીને તેને અંગારા પર મૂકો, અને તેનું તાંબુ લાલચોળ થાય ત્યાં સુધી તપાવો; જેથી તેનો મેલ પીગળે ને એનો ક્ટ બળી જાય. બધી મહેનત વ્યર્થ જશે; કારણ, એનો ક્ટ એટલો બધો છે કે અગ્નિજવાળાઓથી પણ તે જશે નહિ. યરુશાલેમ, તારાં લંપટ કૃત્યોથી તું ભ્રષ્ટ બની છે. મેં તને શુદ્ધ કરવાની કોશિષ કરી પણ તું શુદ્ધ થઈ નહિ; એટલે તારા ઉપર હું મારો પૂરેપૂરો પ્રકોપ નહિ ઉતારું ત્યાં સુધી તું તારી મલિનતાથી ફરી શુદ્ધ બનવાની નથી. હું પ્રભુ એ બોલ્યો છું. મારે કાર્ય કરવાનો સમય આવ્યો છે. હું તે પડતું મૂકીશ નહિ, દયા રાખીશ નહિ કે એનો મને ખેદ પણ થશે નહિ. તારાં આચરણો ને તારાં કૃત્યો પ્રમાણે તને સજા થશે જ. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.” વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો, “હે મનુષ્યપુત્ર, હું તારી પ્રિયતમાને એક સપાટે છીનવી લેનાર છું. તોપણ તારે શોક કે વિલાપ કરવાનો નથી કે આંસુ સારવાનાં નથી. ખુંબ ધીમેથી ડુસકાં ભર; શોક નહિ કરતાં તું તારે માથે પાઘડી પહેર અને પગમાં જોડા પહેર; તારે તારું મુખ ઢાંકવાનું નથી અથવા શોક-ભોજનમાંથી ખાવાનું નથી.” સવારે તો હું લોકો સાથે એ વાત કરતો હતો, ને તે જ સાંજે મારી પત્ની મૃત્યુ પામી. પ્રભુએ મને કહ્યું હતું તે પ્રમાણે મેં બીજે દિવસે સવારે કર્યું. લોકોએ મને પૂછયું, “તું શા માટે એ પ્રમાણે વર્તે છે?” તેથી મેં તેમને કહ્યું, “મને પ્રભુનો સંદેશ મળ્યો છે અને તેમણે મને કહ્યું છે કે, તું ઇઝરાયલીઓને આ સંદેશ આપ: ‘પ્રભુ પરમેશ્વર કહે છે કે તમને મંદિરની મજબૂતી માટે ગર્વ છે, તે તમારી આંખોને પ્રિય છે, અને તમે તેની મુલાકાતની ઝંખના રાખો છો. પણ એ મંદિરને હું અશુદ્ધ કરીશ. તમારાં જે પુત્રપુત્રીઓને તમે યરુશાલેમમાં છોડી આવ્યા છો તે યુદ્ધમાં માર્યાં જશે. ત્યારે હઝકિયેલે જેમ કર્યું છે તેમ તમે પણ કરશો. તમે તમારાં મોં ઢાંકશો નહિ કે શોક ભોજનમાંથી ખાશો નહિ. તમારે માથે પાઘડી અને પગમાં જોડા પહેરેલાં હશે. વળી, તમે શોક કે વિલાપ કરશો નહિ. તમારા પાપે તમે ઝૂરીઝૂરીને મરશો ને એકબીજાની આગળ વિલાપ કરશો. ત્યારે હઝકિયેલ તમારે માટે સંકેતરૂપ બનશે. જે સર્વ તેણે કર્યું છે, તે તમે કરશો. જ્યારે એ બધું બનશે ત્યારે તમે જાણશો કે એ કરનાર હું પ્રભુ પરમેશ્વર છું.” પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, જે મજબૂત મંદિર માટે તેઓ ગર્વ લે છે, જે તેમની આંખોને પ્રિય છે અને જેની મુલાકાત માટે તેઓ ઝંખે છે તે હું તેમની પાસેથી લઈ જઈશ. હું તેમનાં પુત્રપુત્રીઓને પણ છીનવી લઈશ. જે દિવસે હું આમ કરીશ તે જ દિવસે વિનાશમાંથી નાસી છૂટેલ કોઈ વ્યક્તિ મને ખબર પહોંચાડશે. તે દિવસે તું ફરીથી બોલતો થઈ જશે, અને તું તેની સાથે વાત કરીશ. તે પછી તું મૂંગો રહેશે નહિ. એમ તું તેમને માટે ચિહ્નરૂપ થશે, અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” વળી, મને પ્રભુનો સંદેશ મળ્યો: “હે મનુષ્યપુત્ર, આમ્મોન દેશ તરફ તારું મોં રાખ ને તેના નિવાસીઓ વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: મારું મંદિર અપવિત્ર થતું જોઈને, ઇઝરાયલનો દેશ વેરાન થતો જોઈને અને યહૂદિયાના લોકોને દેશનિકાલ થતાં જોઈને તમે રાજીરાજી થઈ ગયા હતા. તેથી હું તમને પૂર્વના રણપ્રદેશની પ્રજાઓના કબજામાં સોંપી દઈશ. તેઓ તમારા દેશમાં પડાવ નાખશે અને ત્યાં વસશે. તેઓ તમારી ઊપજ ખાઈ જશે અને તમારું દૂધ પી જશે. હું રાબ્બા નગરને ઊંટવાડામાં ફેરવી નાખીશ અને સમગ્ર આમ્મોન દેશને ઘેટાંના વાડામાં બદલી નાખીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.” પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તમને ઇઝરાયલ દેશ પ્રત્યે ભારોભાર ઇર્ષ્યા હોવાથી તેની દુર્દશા જોઈને તમારા મનમાં આનંદ થયો છે અને તેથી તમે તાળીઓ પાડીને આનંદથી નાચ્યા છો. એને લીધે હું તમારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તમને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. તેઓ તમને લૂંટી લેશે. હું તમારો એવો ભારે વિનાશ કરીશ કે તમારું પ્રજા તરીકેનું અસ્તિત્વ નાબૂદ થઈ જશે અને તમારો દેશ નષ્ટ થઈ જશે; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.” પ્રભુ પરમેશ્વર કહે છે: “મોઆબે એમ કહ્યું હતું કે, ‘અરે, યહૂદિયાના લોકો પણ અન્ય પ્રજાઓ જેવા જ છે.’ તેથી હું મોઆબીઓના ગૌરવસમાં સરહદી નગરો એટલે બેથ યશીમોથ, બઆલ મેઓન, તથા કિર્યાથાઇમ પર ચારેય બાજુઓથી આક્રમણ કરાવીશ. હું પૂર્વના રણપ્રદેશની ટોળીઓને આમ્મોનની સાથે સાથે મોઆબને પણ જીતી લેવા દઈશ; જેથી પ્રજા તરીકે મોઆબનું નામનિશાન રહેશે નહિ. હું મોઆબને શિક્ષા કરીશ અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” પ્રભુ પરમેશ્વર કહે છે: “અદોમના લોકોએ યહૂદાના લોકો પર ક્રૂર વેર વાળીને મોટો ગુનો કર્યો છે. એ માટે હું પ્રભુ પરમેશ્વર કહું છું કે હું અદોમને સજા કરીશ અને તે દેશમાંથી બધાં માણસો અને પશુઓનો વિનાશ કરીશ, અને તેમાનથી દેદાન સુધીના આખા દેશના લોકો યુદ્ધમાં માર્યા જશે. મારા ઇઝરાયલી લોકો દ્વારા હું અદોમ પર વેર વાળીશ અને તેમની મારફતે અદોમને મારા ભયંકર કોપનો અનુભવ થશે. મારા વેરના ભોગ થવું એટલે શું તેનો અદોમને અનુભવ થશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.” પલિસ્તીઓ અત્યંત વૈરભાવથી વર્ત્યા હતા; જૂની પરંપરાગત અદાલતને લીધે યહૂદિયાનું નિકંદન કાઢી નાંખવા તેમણે કપટી મનથી બદલો લીધો. તેથી હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું કે હું પલિસ્તીઓ પર પ્રહાર કરીશ. હું કેરેથીઓને નાબૂદ કરી નાખીશ અને સમુદ્રકિનારાના બાકીના બધા લોકોનો વિનાશ કરીશ. હું તેમના પર મારો ઉગ્ર કોપ ઉતારીશ અને મારા ઝનૂનમાં તેમના પર ભયંકર વેર વાળીશ. તેઓ પર મારું વેર વાળીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” અમારા દેશનિકાલના અગિયારમા વર્ષે મહિનાના પ્રથમ દિવસે મને પ્રભુનો સંદેશ મળ્યો: “હે મનુષ્યપુત્ર, તૂર નગરના લોકો આનંદમાં આવી જઈને યરુશાલેમ નગર વિષે બોલી ઊઠયા છે કે ‘આહાહા, પ્રજાઓના પ્રવેશદ્વાર સમું યરુશાલેમ ભાંગી પડયું છે! એનો વેપારધંધો પડી ભાગ્યો છે. તે હવે કદી અમારું હરીફ બની શકશે નહિ.’ આથી હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું: હે તૂર શહેર, હું તારી વિરુદ્ધ છું, હું ઘણી પ્રજાઓને તારી ઉપર ચડાઈ કરાવીશ અને તેઓ સમુદ્રનાં મોજાંની જેમ ચઢી આવશે. તેઓ તારા કોટનો નાશ કરશે અને તારા બુરજો તોડી પાડશે. હું તારી બધી માટી પણ ઉડાવી દઈશ અને માત્ર ઉઘાડો ખડક રહેવા દઈશ. સમુદ્ર વચ્ચે જ્યાં તું ઊભું છે ત્યાં માછીમારો પોતાની જાળો સૂકવશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું. અન્ય પ્રજાઓ તને લૂંટી લેશે. તારા તળપ્રદેશનાં નગરોમાં રહેતાં માણસો તેમની તલવારથી માર્યા જશે અને ત્યારે તૂર જાણશે કે હું પ્રભુ છું.” પ્રભુ પરમેશ્વર કહે છે: “હું બેબિલોનના રાજાધિરાજ નબૂખાદનેસાર પાસે તૂર પર ચડાઈ કરાવીશ અને તે ઘોડાઓ, રથો અને ઘોડેસ્વારો સહિતનું વિશાળ સૈન્ય લઈને ઉત્તરમાંથી ચઢી આવશે. તળપ્રદેશનાં ઉપનગરોમાં રહેતા લોકો લડાઈમાં માર્યા જશે. શત્રુ તારી વિરુદ્ધ ખાઈઓ ખોદશે, માટીના ઢોળાવ બાંધશે, ને તારી સામે મોટી આડશો ઊભી કરશે. તે તારો કોટ તોડવા કોટભંજક યંત્રોથી મારો ચલાવશે અને લોખંડનાં ઓજારોથી તારા બુરજો તોડી પાડશે. તેમના ઘોડાઓ દોડવાથી ઊડેલી ધૂળની ડમરીઓથી તું ઢંકાઈ જશે અને જ્યારે તેઓ તારા પ્રવેશદ્વારોમાં થઈને પસાર થશે ત્યારે ઘોડેસ્વારોના અશ્વોના, ગાડાંના અને રથોના ધમધમાટથી તારો કોટ ધ્રૂજી ઊઠશે. તેના ઘોડાઓની ખરીઓથી બધી શેરીઓ ખૂંદી નંખાશે અને તે તારા લોકોનો તલવારથી સંહાર કરશે અને તારા મજબૂત સ્તંભો જમીનદોસ્ત થઈ જશે. તારા શત્રુઓ તારી ધનસંપત્તિ લૂંટી લેશે, તારી માલમતા છીનવી લેશે. તેઓ તારો કોટ તોડી પાડશે અને તારાં ભવ્ય મકાનોનો નાશ કરશે. તેઓ તારાં પથ્થરો, લાકડાં અને માટી ઉપાડીને દરિયામાં નાખી દેશે. હું તારાં ગાયનોનો આલાપ બંધ કરાવીશ અને તારી વીણાના સૂરો ફરી કદી સંભળાશે નહિ. હું ફક્ત ઉઘાડો ખડક રહેવા દઈશ. તેના ઉપર માછીમારો પોતાની જાળો સૂકવશે. તું ફરીથી બંધાઈશ નહિ. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.” પ્રભુ પરમેશ્વર તૂર નગરને આ પ્રમાણે કહે છે: “તારા પતનના અવાજથી અને તારામાં ચાલતી કત્લેઆમથી ઘાયલ થયેલાંની કરુણ ચીસો સાંભળીને સમુદ્રકાંઠા પર વસતા લોકો થરથરી ઊઠશે. દરિયો ખેડનાર સમુદ્રતટના દેશોના રાજાઓ પોતાના રાજ્યાસન પરથી નીચે ઊતરી જશે, તેઓ પોતાનો રાજદ્વારી પોષાક અને ભરતકામવાળા જામા બદલી નાખશે અને ધ્રૂજતાં ધ્રૂજતાં જમીન પર બેસી પડશે. તેઓ તારા પતનથી ચોંકી ઊઠીને સતત ધ્રૂજ્યા કરશે. તેઓ તારે વિશે આ શોકગીત ગાશે: હે ખ્યાતનામ નગરી, તારો કેવો નાશ થયો છે! તારે ત્યાં સાગરખેડૂઓ વસતા હતા. તારી અને તારા રહેવાસીઓની સમુદ્ર વિસ્તારમાં આણ પ્રવર્તતી હતી. દરિયા કાંઠાના તમામ લોકો પર તમારી ધાક હતી. તારી પડતીના દિવસે સમુદ્રદ્વીપો કાંપી ઊઠશે અને તેઓ તારા વિનાશથી ભયભીત થઈ જશે.” પ્રભુ પરમેશ્વર કહે છે: “હું તને વસ્તીહીન ખંડેર નગર જેવું ઉજ્જડ બનાવી દઈશ, અને તારા પર સમુદ્રનાં પાણી ફેરવી વાળીશ અને તને અગાધ પાણીમાં ઢાંકી દઈશ. હું તને મૃત્યુલોકના ઊંડાણમાં ધકેલી દઈશ. ત્યાં તું પ્રાચીન સમયના લોકો ભેગું થઈ જશે. હું તને પુરાતન ખંડેરોની દુનિયામાં મૃત્યુલોકના ઊંડાણમાં ધકેલાઈ ગયેલા લોકની સાથે વસાવીશ. તું ફરીથી વસતીવાળું બનશે નહિ કે આ દુનિયામાં હયાતી ધરાવશે નહિ. હું તારો કારમો અંત લાવીશ અને તારું નામનિશાન રહેશે નહિ. લોકો તારી શોધ કરશે પણ તું કદી જડશે નહિ.” પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, તું તૂર વિષે એક શોકગીત ગા. તૂર તો મોખરાનું બંદર છે અને સમુદ્રકિનારાની પ્રજાઓ સાથે વેપાર કરે છે. તેને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “હે તૂર, તેં તારા સંપૂર્ણ સૌંદર્ય વિષે બડાઈ હાંકી છે. તારું નિવાસસ્થાન તો સમુદ્રમાં છે. તારા બાંધનારાઓએ પણ તને સુંદર વહાણ જેવું બનાવ્યું છે. તારે માટે તેમણે સનીર ઉર્ફે હેર્મોન પહાડ પરનાં સરુનાં વૃક્ષોનાં કાપેલાં લાકડાં વાપર્યાં હતાં. લબાનોનનાં ગંધતરુમાંથી તેમણે તારો કૂવાથંભ બનાવ્યો હતો. તેમણે તારાં હલેસાં બાશાનનાં ઓક વૃક્ષનાં લાકડામાંથી બનાવ્યાં હતાં અને તારું તૂતક સાઇપ્રસમાંથી આણેલા સરુમાંથી બનાવ્યું હતું અને તેને હાથીદાંતથી મઢયું હતું. બહુ દૂરથીય ઓળખાઈ જાય તેવાં તારાં સઢ ઇજિપ્તના ભરત ભરેલાં અળસીરેસાનાં કાપડનાં હતાં. જે તારે માટે વજની ગરજ સારતાં હતાં. તારી છત એલીશા બેટોના નીલા તથા જાંબુડિયા કાપડની હતી. સિદોન અને આર્વાદ નગરોના રહેવાસીઓ તારાં હલેસાં મારનારા હતા; જ્યારે નિપુણ સુકાનીઓ તારા પોતાના જ માણસો હતા. તારી મરામત કરનાર સુથારો ગેબાલના કુશળ કારીગરો હતા. સમુદ્રમાં અવરજવર કરતાં બધાં વહાણોના ખલાસીઓ તારે ત્યાં માલ ખરીદવા આવતા હતા. ઇરાન, લુદ અને પુટના માણસો તારા લશ્કરમાં યોદ્ધાઓ હતા. તેઓ તારા સૈનિકગૃહોમાં પોતાની ઢાલો અને ટોપાઓ લટકાવતા હતા. તેમને કારણે તારો વૈભવ હતો. આર્વાદના સૈનિકો તારા કોટની ચોકી કરતા હતા અને ગામાદના માણસો તારા બુરજો સાચવતા હતા. તેઓ તારા કોટ પર પોતાની ઢાલો લટકાવતા હતા. તેમણે જ તને સર્વાંગસુંદર બનાવ્યું હતું. તારા માલની વિપુલતાને લીધે તાર્શિશ સાથે તારો વેપાર હતો અને તારા માલના બદલામાં તું ત્યાંથી રૂપું, લોખંડ, કલાઈ અને સીસું લાવતું. ગ્રીસ, તુબાલ અને મેશેખ સાથે તારો વેપાર ચાલતો અને તેઓ ગુલામો અને તાંબાનાં વાસણો આપીને બદલામાં તારો માલ લેતાં. બેથ-તોગાર્માના લોકો ભારવાહક ઘોડા, લશ્કરી ઘોડા તથા ખચ્ચરો આપીને તારો માલ ખરીદતા. રોદસના લોકો તારી સાથે વેપાર કરતા હતા. સમુદ્રતટના ઘણા દેશોના લોકો તારા માલના બદલામાં તને હાથીદાંત અને અબનૂસ આપતા હતા. અરામના લોકો તારો વિવિધ જાતનો માલ ખરીદતા અને બદલામાં તને નીલમ, જાંબુડિયા રંગનું કાપડ, બુટ્ટાદાર વસ્ત્રો, બારીક શણ, પરવાળાં અને માણેક આપતા હતા. યહૂદા અને ઇઝરાયલના લોકો પણ તારો માલ ખરીદતા અને બદલામાં તને ઘઉં, મધ અને ઓલિવ તેલ તથા ગૂગળ આપતા હતા. તારા માલની વિપુલતા અને વૈવિયને લીધે દમાસ્ક્સના લોકો તારી સાથે વેપાર કરતા અને બદલામાં તને હેલ્લોનનો દ્રાક્ષાસવ અને સહારનું ઊન આપતા. દેદાન પ્રદેશના લોકો અને ગ્રીકો સૂતર આપીને તારો માલ લેતા. તેઓ તારા માલના બદલામાં ઘડતરનું લોઢું, દાલીચીની અને તજ પણ આપતા. દેદાનના લોકો ઘોડાના જીન માટેનાં કપડાના બદલામાં તારો માલ ખરીદતા. અરબસ્તાનના લોકો અને કેદાર દેશના બધા રાજવીઓ તારી સાથે વેપાર કરતા અને હલવાનો તથા ઘેટાંબકરાંના બદલામાં તારો માલ ખરીદતા. શેબા તથા રામાના વેપારીઓ સર્વોત્તમ મસાલા, મૂલ્યવાન રત્નો, સોનું તથા રૂપું આપીને તારો માલ લેતા. હારાન, કાને તથા એદેન શહેરો અને શેબા, આશ્શૂર તથા ખિલ્માદના વેપારીઓ તારી સાથે વેપાર કરતા હતા. તેઓ તને કીમતી કાપડ, જાંબુડિયા રંગનું કાપડ, ભરતકામ, જાજરમાન રંગબેરંગી ગાલીચા અને ગૂંથેલાં મજબૂત દોરડાં વેચતા. તાર્શિશનાં વિશાળ માલવાહક વહાણોના કાફલામાં તારો માલ લઈ જવાતો. તું સમુદ્રમાં ફરતા વહાણ સમાન હતું કે જેમાં ભરચક માલસામાન ભરવામાં આવ્યો હોય. તારા હલેસાંબાજો તને ભરદરિયે લઈ ગયા અને ત્યાં પવને તને કાંઠાથી દૂર મધદરિયે ભાંગી નાંખ્યું. તું ભાંગી ગયું તે દિવસે તારી ધનસંપત્તિ, તારી બધી વેપારસામગ્રી, તારા સર્વ ખલાસીઓ અને સુકાનીઓ, મરામત કરનાર કારીગરો અને વેપારીઓ અને બધા સૈનિકો દરિયામાં ડૂબી ગયા. ડૂબતા ખલાસીઓની ચીસોના પડઘાથી કિનારા ધ્રૂજી ઊઠયા. હલેસાંબાજો, ખલાસીઓ અને સુકાનીઓ પોતપોતાનાં વહાણોમાંથી ઊતરી પડીને કિનારે ઊભા રહ્યા. તેઓ સૌ તારે માટે પોક મૂકીને વિલાપ કરે છે, પોતાના માથાં પર ધૂળ નાખે છે અને રાખમાં આળોટે છે. તેઓ તારા વિનાશને લીધે પોતાનાં માથાં મૂંડાવે છે અને ટાટનાં વસ્ત્રો પહેરીને હૈયાફાટ આક્રંદ કરે છે. તેઓ તારે માટે વિલાપ કરે છે અને શોકગીત ગાય છે. સમુદ્રમાં શાંત થઈ પોઢી ગયેલા તૂરને કોની સાથે સરખાવી શકાય? તારી વેપારસામગ્રી સમુદ્રો વટાવી દેશવિદેશ પહોંચતી ત્યારે તું ઘણી પ્રજાઓને સંતુષ્ટ કરતું. તારા વિપુલ માલથી રાજાઓ ધનાઢય બનતા. હવે સાગરમાં તારા ભૂકેભૂકા બોલી ગયા છે. તું ડૂબી ગયું છે. તારી સાથે તારો સર્વ માલસામાન અને તારાં બધાં માણસો સમુદ્રમાં તળિયે ડૂબી ગયાં છે. તારી પાયમાલી જોઈને દરિયાકાંઠાના પ્રદેશોના લોકો સ્તબ્ધ થઈ ગયા છે. રાજાઓ પણ ભયભીત થઈ ગયા છે ને તેમના ચહેરા પર ગભરાટ છવાયો છે. તું કાયમને માટે નાશ પામ્યું છે. તારો ભયંકર નાશ જોઈને આખી દુનિયાના વેપારીઓ ગભરાઈ ઊઠયા છે.” પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, તૂરના શાસકને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: તું તારા મનના અભિમાનમાં ‘દેવ’ હોવાનો દાવો કરે છે. તું કહે છે કે કે ‘હું મધદરિયે ઈશ્વરની જેમ સિંહાસન પર બેઠો છું.’ તું પોતાને ઈશ્વર જેવો જ્ઞાની માની બેઠો છે. છતાં તું મનુષ્ય જ છે, દેવ નથી. તું પોતાને દાનિયેલ કરતાં વધુ જ્ઞાની માને છે, અને જાણે કશું રહસ્ય તારાથી છુપાવી શકાય નહિ! તારા જ્ઞાનથી અને તારા કૌશલ્યથી તેં સોનાચાંદીનો સંગ્રહ કર્યો છે અને ધનાઢય બન્યો છે. તેં બુદ્ધિમાન વેપારીની બુદ્ધિથી ઘણો નફો કર્યો છે. તારી સંપત્તિને લીધે તારું મન ગર્વિષ્ઠ બન્યું છે. એ માટે હું પ્રભુ પરમેશ્વર તને કહું છું કે તું પોતાને દેવ જેવો જ્ઞાની માને છે. તેથી હું તારા પર આક્રમણ કરવા અત્યંત નિર્દય એવી વિદેશી પ્રજાઓને લઈ આવીશ. તેઓ તારા કૌશલ્યથી મેળવેલી સમૃદ્ધિ પર તેઓ તલવાર ચલાવશે અને તારા વૈભવને વીંધી નાખશે. તેઓ તને મારી નાખીને તને દરિયાના તળિયે ફેકી દેશે. તારા હત્યારાઓ તને મારી નાખવા આવશે ત્યારે તેમની સામે તું દેવ હોવાનો દાવો કર્યા કરીશ? તું તારા હત્યારાના હાથમાં પડીશ ત્યારે તું કેવળ માણસ જ હોઇશ, દેવ નહિ. તું પરપ્રજાને હાથે માર્યો જઈશ અને અધર્મી તને કમોતે મારશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.” મને ફરીથી પ્રભુનો સંદેશ મળ્યો: “હે મનુષ્યપુત્ર, તું તૂરના રાજવીના થનારા હાલહવાલ માટે મોટે સાદે શોકગીત ગા અને તેને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: એક વખત તું સંપૂર્ણતાની નમૂનેદાર પ્રતિકૃતિ હતો. તું કેવો જ્ઞાની અને સર્વાંગસુંદર હતો! તું ઈશ્વરની વાડી એદનમાં રહેતો હતો અને સર્વ પ્રકારનાં મૂલ્યવાન રત્નો એટલે માણેક પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસપિસ, નીલમ, લીલમ અને અગ્નિમણિ ધારણ કરતો હતો. તારા અલંકારો સુવર્ણના હતા. તારા સર્જનના દિવસે એ તારે માટે તૈયાર કરવામાં આવ્યા હતા. મેં તારી સાથે એક સંરક્ષક કરુબ દૂત પણ રાખ્યો હતો. તું મારા પવિત્ર પર્વત પર નિવાસ કરતો હતો અને ઝળહળતાં રત્નો વચ્ચે ફરતો હતો. તારા સર્જન સમયે અને તે પછી તારામાં દુષ્ટતા માલૂમ પડી ત્યાં સુધી તો તારું આચરણ નિર્દોષ હતું તારો વેપાર વધી ગયો હોવાથી તું હિંસક બન્યો અને પાપ કરવા લાગ્યો. તેથી મેં તને પતિત ગણીને મારા પવિત્ર પર્વત પરથી હાંકી કાઢયો, તારું રક્ષણ કરનાર દૂતે પણ તને ઝળહળતાં રત્નોમાંથી હાંકી કાઢયો. તારા સૌંદર્યને લીધે તું ગર્વિષ્ઠ બન્યો અને તારી કીર્તિને લીધે તારી બુદ્ધિ ભ્રષ્ટ બની હતી. પરિણામે, મેં તને જમીનદોસ્ત કર્યો અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે. તેં તારા વેપારધંધામાં એટલો ભ્રષ્ટાચાર કર્યો છે કે તારા પવિત્રસ્થાનોને પણ અપવિત્ર બનાવ્યાં છે. આથી મેં તૂર શહેરને આગ લગાડી અને તારા સર્વ પ્રેક્ષકોનાં દેખતાં તું બળીને ભસ્મીભૂત બની ગયો. તું કાયમને માટે નષ્ટ થયો છે. તારી પરિચિત પ્રજાઓ ચોંકી ઊઠી છે. તેમનો પણ તારા જેવો જ અંજામ આવશે તેવો તેમને ડર છે. પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, સિદોન તરફ મોં ફેરવીને તેની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. ત્યાંના લોકોને કહે કે પ્રભુ પરમેશ્વર તમારે વિશે આ પ્રમાણે કહે છે: સિદોન, હું તારી વિરુદ્ધ છું. હું તારી મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. તારા લોકોને સજા કરીને હું મારી પવિત્રતા પ્રગટ કરીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. હું તારે ત્યાં રોગચાળો મોકલીશ અને તારી શેરીઓમાં કત્લેઆમ ચલાવીશ. ચારે બાજુથી તારા પર આક્રમણ થશે અને તારાં માણસો માર્યા જશે ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું.” પ્રભુએ કહ્યું, “ઇઝરાયલનો તિરસ્કાર કરનાર આસપાસના લોકો હવે કદી તીક્ષ્ણ કાંટા કે ઝાંખરાની જેમ તેને ભોંકાશે નહિ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ પરમેશ્વર છું.” પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “મેં ઇઝરાયલીઓને જે પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે ત્યાંથી હું તેમને એકઠા કરીશ. ત્યારે તેમને લીધે સર્વ પ્રજાઓમાં આ વાત પ્રગટ થશે કે હું પવિત્ર છું. ઇઝરાયલના લોકો તેમના પોતાના દેશમાં એટલે મારા સેવક યાકોબને આપેલા દેશમાં વસશે. ત્યાં તેઓ મકાનો બાંધશે, દ્રાક્ષાવાડીઓ રોપશે અને સલામતીમાં રહેશે. તેમની ધૃણા કરનાર તેમના પડોશી દેશોને હું સજા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું.” અમારો દેશનિકાલ થયાના દસમા વર્ષના દસમા મહિનાના બારમે દિવસે પ્રભુએ મારી સાથે બોલતાં મને આમ કહ્યું: “હે મનુષ્યપુત્ર, ઇજિપ્તના રાજા ફેરો તરફ તારું મોં રાખીને તેની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. તેને અને ઇજિપ્ત દેશને કેવી શિક્ષા થવાની છે તે અંગે સંદેશ પ્રગટ કર. તેને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: હે ઇજિપ્તના રાજા ફેરો, નાઇલ નદીમાં પડી રહેનાર રાક્ષસી મગર, હું તારી વિરુદ્ધ છું. તું કહે છે કે નાઇલ નદી મારી છે; તેં તારે માટે એને બનાવી છે. પણ હું તારા જડબામાં આંકડો ભરાવીશ અને તારી નદીનાં માછલાં તારાં ભીંગડાને વળગાડીશ. પછી તેને ચોંટેલી બધી માછલીઓ સાથે હું તને નાઇલ નદીમાંથી બહાર ખેંચી કાઢીશ. પછી હું તને અને એ બધાં માછલાંઓને રણપ્રદેશમાં ફેંકી દઈશ. તારું શરીર ખુલ્લા મેદાનમાં પડશે. તને ત્યાંથી કોઈ હઠાવશે નહિ કે તને દફનાવશે નહિ. હું તને આકાશનાં પંખીઓ અને પૃથ્વીના પશુઓનો ભક્ષ બનાવીશ. ત્યારે ઇજિપ્તના બધા લોકો જાણશે કે હું પ્રભુ છું.” પ્રભુ કહે છે કે, “ઇઝરાયલીઓએ સહાય માટે તમ ઇજિપ્તીઓ પર આધાર રાખ્યો પણ તમે તો બરુના સાંઠા જેવા પુરવાર થયા. જ્યારે તેમણે તને હાથમાં લીધો ત્યારે તું ભાંગી ગયો. તેં તેમના ખભાને ચીરી નાખ્યા અને જ્યારે તેમણે તારો ટેકો લીધો ત્યારે તેનાથી તેમની કમરો વળી ગઈ. આથી હું, પ્રભુ પરમેશ્વર, તને કહું છું કે હું તારા પર તલવારધારી માણસો દ્વારા હુમલો કરાવીશ. તેઓ તારા જનજનાવરોનો સંહાર કરશે. ઇજિપ્ત ઉજ્જડ અને વેરાન થઈ જશે અને ત્યારે લોકો જાણશે કે હું પ્રભુ છું. તેં તો કહ્યું છે કે નાઇલ નદી મારી છે અને તારે માટે તેં એને બનાવી છે. તેથી હું તારી અને તારી નાઇલ નદીની વિરુદ્ધ છું. હું સમગ્ર ઇજિપ્ત દેશને ઉત્તરના મિગ્દોલ નગરથી માંડી દક્ષિણના સૈન્દ્રને નગર સુધી છેક કૂશની સરહદ સુધી ઉજ્જડ અને વેરાન કરી નાખીશ. કોઈ માણસ કે કોઈ પશુ ત્યાં ફરકશે નહિ. ચાળીસ વર્ષ સુધી તેમાં વસવાટ થશે નહિ. હું ઇજિપ્તને સૌથી વેરાન દેશ બનાવી દઈશ. ચાળીસ વર્ષ સુધી ઇજિપ્તનાં નગરો કોઈપણ દેશનાં અન્ય નગરો કરતાં વધુ ઉજ્જડ બની જશે. હું ઇજિપ્તીઓને નિર્વાસિતો બનાવી દઈશ. તેઓ બધા દેશોમાં નાસી છૂટશે અને બીજી પ્રજાઓ વચ્ચે વસશે.” પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “ચાળીશ વર્ષ પૂરાં થયાં પછી હું અન્ય પ્રજાઓમાં વેરવિખેર થઈ ગયેલા ઇજિપ્તીઓને પાછા લાવી એકત્ર કરીશ. અને હું ઇજિપ્તને ગુલામગીરીમાંથી છોડાવીશ ને તેના લોકોને પાછા દક્ષિણ ઇજિપ્તમાં એટલે તેમના મૂળ વતનમાં પાછા લાવીશ ને તેમને પુન:સ્થાપિત કરીશ. ત્યાં તેઓ એક નિર્બળ રાજ્ય બની રહેશે. તે સૌથી નિર્બળ રાજ્ય થશે અને ફરી કદી બીજી પ્રજાઓ સામે માથું ઊંચકશે નહિ. હું તેમને એટલા પામર બનાવી દઈશ કે તેઓ બીજી પ્રજાઓ પર હકૂમત ચલાવી શકશે નહિ. ઇઝરાયલીઓ ફરી કદી સહાય માટે તેમના પર આધાર રાખશે નહિ. ઇજિપ્તના હાલહવાલ જોઈને પોતે તેમના પર આધાર રાખીને કેવી ભૂલ કરી હતી તેનું તેમને હંમેશા સ્મરણ થશે અને ત્યારે ઇઝરાયલ જાણશે કે હું પ્રભુ પરમેશ્વર છું.” અમારો દેશનિકાલ થયાના સતાવીસમા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે મને પ્રભુનો સંદેશ મળ્યો: “હે મનુષ્યપુત્ર, બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે તૂર પર ભારે આક્રમણ કર્યું છે. તેણે પોતાના સૈનિકો પાસે એટલો ભારે બોજો ઉપાડાવ્યો કે તેમનાં માથાં બોડાં થઈ ગયાં અને તેમના ખભા છોલાઈ ગયા; તો પણ રાજાને કે તેના સૈન્યને તૂર પરનાં આક્રમણમાં પોતે ઉઠાવેલ પરિશ્રમનો કશો બદલો મળ્યો નહિ. તેથી હું, પ્રભુ પરમેશ્વર આમ કહું છું: હું રાજા નબૂખાદનેસ્સારને ઇજિપ્ત દેશ સોંપી દઉં છું. તે એ દેશને લૂંટી લેશે, તેની ધનસંપત્તિ ઉઠાવી જશે અને તે લૂંટ તેના સૈન્ય માટે શ્રમના બદલામાં મળેલું વેતન બની રહેશે. તેણે બજાવેલ સેવાના બદલારૂપે હું નબૂખાનેસ્સારને ઇજિપ્ત દેશ સોંપી દઉં છું; કારણ, એના સૈન્યે મારે માટે કામ કર્યું છે. હું, પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું. એવું બનશે કે તે દિવસે હું ઇઝરાયલીઓને સમર્થ બનાવીશ અને તને હઝકિયેલને સૌ સાંભળી શકે તે રીતે હું તને વાચા આપીશ, અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” વળી પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, તું સંદેશ પ્રગટ કર, અને હું, પ્રભુ પરમેશ્વર જે કહું છું તે જણાવ. તારે આ શબ્દો પોકારવાના છે. અહો કેવો ભયંકર દિવસ આવ્યો છે! તે દિવસ એટલે પ્રભુનો દિવસ આવ્યો છે. તે વાદળાંથી ઘેરાયેલો દિવસ છે, પ્રજાઓને માટે સંકટનો દિવસ છે. એ દિવસે ઇજિપ્ત પર યુદ્ધ આવી પડશે. કૂશ પર મહા દુ:ખ આવી પડશે. ઇજિપ્તમાં અનેક માર્યા જશે, દેશનું ધન લૂંટાઈ જશે અને તેના પાયા ખંડેર બની જશે. એ યુદ્ધમાં કૂશના, પૂટના, લૂદના સર્વ અરબી પ્રદેશો તથા કૂબના સૈનિકો માર્યા જશે. તેમજ ઇજિપ્ત સાથે સંધિથી જોડાયેલા અન્ય લોકોનો પણ સંહાર થશે.” પ્રભુ કહે છે: “ઉત્તરના મિગ્દોલ નગરથી દક્ષિણના સૈયેને નગર સુધીના ઇજિપ્તના ટેકેદારો યુદ્ધમાં તલવારથી માર્યા જશે અને પોતાની લશ્કરી તાક્તનો ઈજિપ્તનો ઘમંડ ઓસરી જશે. હું, પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું. એ દેશો દુનિયામાં સૌથી વધુ વેરાન બની જશે અને તેમનાં શહેરો સંપૂર્ણ ખંડેર બની જશે. જ્યારે હું ઇજિપ્તને આગ લગાડીશ અને તેના બધા ટેકેદારો નાશ પામશે ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. એ દિવસ આવશે અને ઇજિપ્ત નાશ પામ્યું હશે ત્યારે હું દરિયાઈ માર્ગે વહાણોમાં સંદેશકોને કૂશ મોકલીશ અને ત્યાં નિશ્ર્વિંત્ રીતે જીવતા કૂશીઓને સાવધ કરી દઈશ અને તેઓ ભયભીત થઈ જશે. એ દિવસ હવે આવી જ રહ્યો છે.” પ્રભુ પરમેશ્વર કહે છે: બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા હું ઇજિપ્તના ધનવૈભવનો અંત આણીશ. તે અને તેનું નિર્દયી સૈન્ય આવશે અને દેશને ખેદાનમેદાન કરી નાખશે. તેઓ ઇજિપ્ત સામે તલવાર ચલાવશે અને આખો દેશ મૃતદેહોથી છવાઈ જશે. હું નાઇલ નદીને સૂકવી નાખીશ અને ઇજિપ્તને દુષ્ટોના કબજામાં સોંપી દઈશ. પરદેશીઓ આખા દેશને ખેદાનમેદાન કરી નાખશે, હું, પ્રભુ, એ બોલ્યો છું.” પ્રભુ પરમેશ્વર કહે છે: “હું નોફમાંની મૂર્તિઓનો અને તેની પ્રતિમાઓનો નાશ કરીશ. ઇજિપ્તમાં કોઈ શાસક નહિ હોય અને હું આખા દેશને ભયભીત બનાવીશ. હું પાથ્રોસને ઉજ્જડ કરીશ, અને ઉત્તરના સોઆન નગરને આગ લગાડીશ. નો નગરનો ન્યાય કરીને તેને શિક્ષા કરીશ. હું ઇજિપ્તના મહાન કિલ્લારૂપ નગર સીન પર મારો રોષ ઠાલવીશ. હું નો નગરની ધનસંપત્તિનો વિનાશ કરીશ. હું ઇજિપ્તને આગ લગાડીશ અને સીન પર ભારે આપત્તિ આવી પડશે. નો નગરના કોટ ભાંગીને ભૂકો થઈ જશે અને નોફ શહેરમાં પૂરનાં પાણી ફરી વળશે. ઓન અને પીલેસેથ નગરોના જુવાનો યુદ્ધમાં માર્યા જશે અને બીજા લોકો દેશનિકાલ થશે. હું જ્યારે ઇજિપ્તની સતાનું ખંડન કરીશ અને જે બળ પર તેઓ અભિમાન કરતા હતા તેનો અંત આણીશ ત્યારે તાહપન્હેસમાં અંધકાર છવાઈ જશે. વાદળ સમગ્ર ઇજિપ્તને ઢાંકી દેશે અને તેમા નગરના લોકો દેશનિકાલ થશે. ઇજિપ્તને હું આ રીતે શિક્ષા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” અમારો દેશનિકાલ થયાના અગિયારમાં વર્ષના પ્રથમ માસના સાતમા દિવસે મને પ્રભુનો સંદેશ મળ્યો: “હે મનુષ્યપુત્ર, મેં ઇજિપ્તના રાજા ફેરાનો હાથ ભાગી નાખ્યો છે. કોઈએ તેને પાટો બાંધ્યો નથી કે કોઈએ તેને ઝોળીમાં ભેરવ્યો નથી કે જેથી તે સાજોસમો થઈને ફરીથી સ્વસ્થ બની તલવાર પકડી શકે. એ માટે હું, પ્રભુ પરમેશ્વર કહું છું કે હું ઇજિપ્તના રાજા ફેરોની વિરુદ્ધ છું, હું એનો સાજો અને ભાંગી ગયેલો એમ બન્‍ને હાથ ભાંગી નાખીશ અને એના હાથમાંથી તલવાર નીચે પડી જશે. હું ઇજિપ્તીઓને બીજી પ્રજાઓમાં અને દુનિયાના અન્ય દેશોમાં વેરવિખેર કરી દઈશ. હું બેબિલોનના રાજાના હાથ મજબૂત કરીશ અને મારી તલવાર તેના હાથમાં આપીશ. પણ હું ઇજિપ્તના રાજાના હાથ તોડી નાખીશ અને તે મરણતોલ ઘાયલ થઈને પોતાના શત્રુઓ સમક્ષ કણસશે. હું જરૂર બેબિલોનના રાજાના હાથ બળવાન બનાવીશ, પણ ફેરોના હાથ નિર્બળ બનાવી દઈશ. હું બેબિલોનના રાજાના હાથમાં મારી તલવાર મૂકીશ અને તે તેને ઇજિપ્ત સામે ઉગામશે ત્યારે દરેક માણસ જાણશે કે હું પ્રભુ છું. હું ઇજિપ્તીઓને આખી દુનિયામાં વિખેરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” અમારો દેશનિકાલ થયાના અગિયારમા વર્ષના ત્રીજા માસના પ્રથમ દિવસે મને પ્રભુનો આવો સંદેશ મળ્યો: “હે મનુષ્યપુત્ર, તું ઇજિપ્તના રાજા ફેરોને અને તેના વિશાળ જનસમૂહને કહે: ‘તું કેટલો બધો શક્તિશાળી છે! હું તને કોની ઉપમા આપું? તું તો લબાનોનના સુંદર, ઘટ્ટાદાર અને ઊંચા ગંધતરુ જેવો છે. તેની ટોચ વાદળોને સ્પર્શે છે. ઝરણાનું પાણી તેને પોષે છે. ભૂગર્ભનું જળ તેને વિક્સાવે છે. તેના રોપની આસપાસ નાઇલનાં ઝરણાં વહેતાં હતાં. તેમનાં વહેણોથી વનનાં સર્વ વૃક્ષોને પાણી મળતું. એને પુષ્કળ પાણી મળ્યું તેથી તે વનનાં બીજાં વૃક્ષો કરતાં કદમાં ઊંચું વયું, તેની ડાળીઓ લાંબી અને મજબૂત બની. દરેક પ્રકારનાં પંખીઓ તેની ડાળીઓમાં માળા બાંધતાં, એની છાયામાં જંગલી પશુઓ પોતાનાં બચ્ચાંને જન્મ આપતાં અને દુનિયાની પ્રજાઓએ એની છાયામાં આરામ કર્યો. એ વૃક્ષ દેખાવમાં અત્યંત સુંદર હતું. એની ડાળીઓ ખૂબ લાંબી અને ઊંચે સુધી વિસ્તરેલી હતી. એનાં મૂળિયાં છેક ભૂગર્ભજળ સુધી પહોંચ્યાં હતાં. ઈશ્વરની વાડીનાં ગંધતરુ એની બરોબરી કરી શકે નહિ. એની ડાળીઓ સાથે દેવદારને સરખાવી શકાય નહિ અને ચિનારવૃક્ષની તો કશી વિસાત નહિ. ઈશ્વરના બાગમાંનું કોઈ વૃક્ષ એના જેટલું સુંદર નહોતું. મેં તેને વિશાળ ડાળીઓ આપીને એવું ખૂબસૂરત બનાવ્યું હતું કે ઈશ્વરની વાડી એદનનાં સૌ વૃક્ષો એની ઇર્ષ્યા કરતાં. હવે હું, પ્રભુ પરમેશ્વર, આમ કહું છું. એ વૃક્ષે વધીને પોતાની ટોચ વાદળ સુધી પહોંચાડી છે. એ જેમ જેમ ઊંચું થતું ગયું છે તેમ તેમ એ ગર્વિષ્ઠ થયું છે. તેથી મેં તેનો ત્યાગ કર્યો છે અને એક પરદેશી શાસકના હાથમાં તેને સોંપી દીધું છે, જે એની દુષ્ટતાને અનુરૂપ તેની દુર્દશા કરશે. અત્યંત નિર્દય પરદેશીઓ એને કાપી નાખશે, ને તેને પડયું રહેવા દેશે. એનાં તૂટેલાં ડાળાંપાંખળાં દેશના બધા પર્વતો પર, ખીણોમાં અને વહેળાઓ પાસે વેરાશે. એની છાયામાં નિવાસ કરતી પ્રજાઓ એનો ત્યાગ કરશે. આકાશનાં પંખીઓ આવીને એ તૂટેલાં વૃક્ષ પર બેસશે અને પશુઓ તેની શાખાઓ પર ચાલશે. એ માટે હવે પછી ભરપૂર પાણી મળ્યું હોય તેવું કોઇપણ વૃક્ષ પેલા દેવદાર વૃક્ષ જેટલું ઊંચું વધશે નહિ કે પોતાની ટોચ વાદળ સુધી પહોંચાડશે નહિ. બધાં જ વૃક્ષો મર્ત્ય માનવીની જેમ મરવા માટે નિર્માયાં છે અને મૃત્યુલોક શેઓલમાં જનારા મૃતકોની સાથે જવા માટે સર્જાયાં છે.” પ્રભુ પરમેશ્વર પ્રમાણે કહે છે: “જે દિવસે એ વૃક્ષ મૃતકોની દુનિયા શેઓલમાં પહોંચી જશે, તે દિવસે શોકની નિશાની તરીકે પાતાળ એને ઢાંકી દે તેમ હું કરીશ. હું નદીઓના જળપ્રવાહ રોકી રાખીશ ને ઝરણાંઓને બહાર આવવા દઇશ નહિ. વૃક્ષના મૃત્યુને કારણે હું લબાનોન પર્વત પર અંધકાર આણીશ ને વનનાં બધાં વૃક્ષોને કરમાવી નાખીશ. હું જ્યારે એને મૃત્યુલોક શેઓલમાં ફેંકી દઇશ ત્યારે એના પતનથી થયેલા ધડાકાથી પ્રજાઓ ધ્રૂજી ઊઠશે. એદનવાટિકાનાં સર્વ વૃક્ષો અને લબાનોનનાં વિપુલ પાણી પીને સર્વોત્તમ બનેલાં પુષ્ટ વૃક્ષો શેઓલમાં આનંદ પામશે. તેઓ પણ તેની સાથે શેઓલમાં જશે. અગાઉ તલવારથી ક્તલ થયેલાં પણ ત્યાં પડેલાં હશે. તેની છાયામાં વસતી સર્વ પ્રજાઓ પણ નષ્ટ થઇ જશે. એ વૃક્ષ તો ઇજિપ્તનો રાજા અને તેનો જનસમુદાય છે. એદનવાટિકાનાં વૃક્ષો પણ એનાં જેટલાં ઊંચા કે મહાન નહોતાં. હવે, એદનનાં વૃક્ષોની જેમ એ અધોલોકમાં ફેંકાઇ જશે અને લડાઇમાં માર્યા ગયેલા પરપ્રજાના લોક સાથે પડયું રહેશે.” એમ પ્રભુ પરમેશ્વર કહે છે. અમારા દેશનિકાલ થયાના બારમા વર્ષના બારમા માસના પ્રથમ દિવસે મને પ્રભુનો સંદેશ મળ્યો: “હે મનુષ્યપુત્ર, ઇજિપ્તના રાજા ફેરો વિષે વિલાપગીત દ્વારા તું તેને મારો આ સંદેશ પહોંચાડ: ‘તું પ્રજાઓમાં પોતાને સિંહ માનતો હતો, પણ તું તો નદીનાં પાણી ચાતરનાર મગરમચ્છ જેવો છે. તું તારા પગથી નદીનાં પાણીને ડહોળીને તેને મેલાં બનાવે છે.’ પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જ્યારે ઘણી પ્રજાઓ એકઠી થશે ત્યારે મારી જાળ તારા પર નાખીશ અને તેઓ તને કિનારા પર ખેંચી લાવશે. હું તને ખુલ્લી જમીન પર ફેંકી દઇશ. હું માંસાહારી પક્ષીઓને તારા પર બેસાડીશ અને આખી પૃથ્વીનાં પશુઓ તારા માંસથી તૃપ્ત થશે. હું તારા માંસના ટુકડા પર્વતો પર વેરીશ અને તારા સડી ગયેલા શબ વડે ખીણોને ઢાંકી દઇશ. તારા રક્તની છોળોથી હું પર્વતોની ટોચ સુધી ભૂમિને તરબોળ કરી દઇશ અને તારા રક્તથી નદીનાળાં છલકાઇ જશે. હું તારો વિનાશ કરીશ ત્યારે આકાશને ઢાંકી દઇશ અને તારાઓને નિસ્તેજ બનાવી દઇશ. સૂર્ય વાદળો પાછળ સંતાઇ જશે અને ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ. હું આકાશના બધા પ્રકાશિત તારાઓ અને નક્ષત્રોને ઝાંખા પાડી દઇશ અને તારા આખા દેશ પર અંધકાર ફેલાવી દઇશ. હું પ્રભુ પરમેશ્વર એમ કહું છું. “જે દેશોનાં નામ પણ તે કદી સાંભળ્યાં નથી એવા દેશોમાં હું તારા વિનાશના સમાચાર ફેલાવીશ ત્યારે ઘણી પ્રજાઓનાં હૃદય ભયથી કાંપી ઊઠશે. તારા પ્રત્યેનો મારો વર્તાવ જોઇને ઘણા દેશો આઘાત પામશે. તેમના દેખતાં હું મારી તલવાર વીંઝીશ ત્યારે તેમના રાજાઓ ભયથી થથરી ઊઠશે. જે દિવસે તારું પતન થશે તે જ દિવસે તેઓ બધા પોતાનો પ્રાણ જવાના ડરથી કાંપી ઊઠશે.” પ્રભુ પરમેશ્વર ઇજિપ્તના રાજાને કહે છે કે, “બેબિલોનના રાજાની તલવાર તારા પર આવી પડશે. હું પ્રજાઓમાં સૌથી ઘાતકી એવા શૂરવીર સૈનિકોની તલવારથી તારા સમસ્ત જનસમુદાયનો સંહાર કરાવીશ. તે ઇજિપ્તના ગૌરવને ધૂળમાં મેળવી દેશે અને તારા સર્વ જનસમુદાયનો નાશ થશે. હું તારી મોટી નદી પાસેનાં સર્વ પશુઓનો સંહાર કરીશ. એ પછી પાણીને ડહોળીને મેલાં કરવા કોઇ જનજનાવર રહેશે નહિ. હું તારા બધાં જળાશયોને કરીને સ્વચ્છ કરી દઇશ અને તારી નદીઓનાં પાણીને તેલની જેમ શાંત રીતે વહેવા દઇશ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું. જ્યારે હું ઇજિપ્તને ઉજ્જડ તથા વેરાન કરી મૂકીશ અને તેની સર્વ સમૃદ્ધિ ચાલી જશે અને તેની આખી વસ્તીનો સંહાર કરીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. આ વિલાપ ગીત છે. દેશવિદેશની પ્રજાઓની સ્ત્રીઓ ઇજિપ્ત અને તેના લોકો માટે વિલાપ કરતાં એ ગાશે. હું, પ્રભુ પરમેશ્વર, એ બોલ્યો છું.” અમારા દેશનિકાલના બારમા વર્ષના પ્રથમ માસના પંદરમે દિવસે મને પ્રભુનો સંદેશ મળ્યો. “હે મનુષ્યપુત્ર, ઇજિપ્તના જનસમુદાયને માટે વિલાપ કર. અન્ય પ્રતાપી પ્રજાઓની સાથે તેમને પણ તું પાતાળમાં ઊતરી જનારાઓની સાથે મૃત્યુલોક શેઓલમાં મોકલી દે. તેમને કહે: શું તમે પોતાને સૌંદર્યમાં સર્વશ્રેષ્ઠ માનો છો? તમે પણ અધોલોકમાં ઊતરી જશો અને પરપ્રજાના લોક સાથે પડી રહેશો. “ઇજિપ્તના લોકો યુદ્ધમાં માર્યા ગયેલા મધ્યે પડશે. તેમનો સૌનો સંહાર કરવા તલવાર તૈયાર છે. સૌથી મહાન પરાક્રમી પુરુષો અને ઇજિપ્તને પક્ષે લડનારાઓ ઇજિપ્તીઓને મૃત્યુલોક શેઓલમાં આવકાર આપતાં કહે છે: પરપ્રજાના જે લોક યુદ્ધમાં માર્યા ગયા છે, તે અહીં આવ્યા છે અને અહીં પડયા છે. “આશ્શૂર પણ ત્યાં પડયું છે, તેની ચારે તરફ તેના સૈનિકોની કબરો છે. એ સર્વ યુદ્ધમાં માર્યા ગયા હતા. તેમની કબરો પાતાળને છેક તળિયે ગોઠવેલી છે. એના બધા સૈનિકો લડાઇમાં માર્યા ગયા અને આશ્શૂરની કબરની આસપાસ તેમની કબરો છે. એક સમયે તો તેઓ પૃથ્વી પર ત્રાસ વર્તાવતા હતા. “એલામ પણ ત્યાં છે. તેની ચારે તરફ તેના સૈનિકોની કબરો છે. એ બધા લડાઇમાં માર્યા ગયા છે. એક સમયે પૃથ્વીના લોકો પર તેઓ ત્રાસ વર્તાવતા હતા, તે સર્વ લડાઇમાં માર્યા જઈ ઈશ્વર સાથેના કોઈ સંબંધ વિનાની સ્થિતિમાં પાતાળમાં ઊતરી જનારાઓની સાથે મૃત્યુલોક શેઓલમાં પહોંચી ગયા છે અને અત્યારે તેઓ અપમાનિત થઈને ત્યાં પોઢી ગયા છે. લડાઇમાં માર્યા ગયેલાઓની વચ્ચે એલામ પોઢી ગયું છે, અને તેની આસપાસ તેના સૈનિકોની કબરો છે, એ બધા બેસુન્‍નતીઓ લડાઇમાં માર્યા ગયા હતા. પૃથ્વીના લોકો પર તેઓ ત્રાસ વર્તાવતા હતા, પણ અત્યારે તેઓ અપમાનિત થઇને મૃત્યુલોક શેઓલમાં પડયા છે અને યુદ્ધમાં માર્યા ગયેલાઓની સ્થિતિ ભોગવે છે. ત્યાં મેશેખ અને તૂબાલ છે. તેમની ચારે તરફ તેમના સૈનિકોની કબરો છે. એ બધા પરપ્રજાના લોક હતા અને લડાઇમાં માર્યા ગયા હતા. એક સમયે તેઓ પૃથ્વીના લોકો પર ત્રાસ વર્તાવતા હતા. પ્રાચીન સમયના શૂરવીરો સંપૂર્ણ શસ્ત્રસજ્જ થઇને અધોલોકમાં જતા, તેમની તલવારો તેમના માથા નીચે મૂકવામાં આવતી અને તેમની ઢાલો તેમના શરીર પર મુક્તી. જો કે તેઓ જીવતા હતા ત્યારે બીજાને માટે ત્રાસરૂપ હતા. મેશેખ અને તુબાલના યોદ્ધાઓને આમ માનપૂર્વક દફનાવાયા નથી. તેવી રીતે ઇજિપ્તીઓ પણ માર ખાઇને યુદ્ધમાં માર્યા ગયેલા પરપ્રજાના લોક ભેગા પડયા રહેશે. ત્યાં અદોમ પણ તેના રાજાઓ અને સરદારો સાથે છે. એ બધા ય પરાક્રમી લડવૈયાઓ હતા, છતાં આજે તેઓ લડાઇમાં માર્યા ગયેલા પરપ્રજાના લોક સાથે અને પાતાળમાં ઊતરી જનારાઓની સાથે મૃત્યુલોક શેઓલમાં પડયા છે. ઉત્તરના સર્વ સરદારો અને સિદોનીઓ પણ ત્યાં છે. એક સમયે તેઓ પોતાની શક્તિથી ત્રાસ ફેલાવતા હતા. પણ અત્યારે પરપ્રજાના એ બધા લોક અપમાનિત થઇને લડાઇમાં માર્યા ગયેલાઓ સાથે અને પાતાળમાં ઊતરી જનારાઓની સાથે મૃત્યુલોક શેઓલમાં પોઢયા છે. ઇજિપ્તનો રાજા ફેરો અને તેનું સૈન્ય લડાઇમાં માર્યા ગયેલા એ બધાને જોઇને દિલાસો પામશે.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. “ફેરોએ પણ પૃથ્વીના લોક પર ત્રાસ વર્તાવ્યો હતો, તે અત્યારે પોતાના સૈન્ય સહિત યુદ્ધમાં માર્યા ગયેલા પરપ્રજાજનો સાથે મૃત્યુલોક શેઓલમાં પોઢી ગયો છે.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, તારા દેશવાસીઓને આ વાત જણાવ: હું કોઇ દેશ પર યુદ્ધ લાવું અને તે દેશના લોકો પોતાનામાંથી એક વ્યક્તિને પસંદ કરીને તેને ચોકીદાર તરીકે નીમે, તો દેશ પર શત્રુનું આક્રમણ જોઇને તે ચોકીદાર રણશિંગડું વગાડીને લોકોને ચેતવે. જો કોઇ વ્યક્તિ રણશિંગડું સાંભળ્યાં છતાં ચેતે નહિ અને શત્રુ આવીને તેને મારી નાખે તો તેના ખૂનની જવાબદારી તેને પોતાને જ શિર રહે. કારણ, તેણે ચેતવણી લક્ષમાં લીધી નહિ. તેથી તેના ખૂનની જવાબદારી તેને પોતાને જ શિર રહે. રણશિંગડાનો અવાજ સાંભળીને તે ચેત્યો હોત તો તે પોતાનો પ્રાણ બચાવી શક્યો હોત. પણ જો ચોકીદાર સંહારક શત્રુને દેશ પર ચડી આવતો જુએ અને છતાં લોકોને ચેતવવા રણશિંગડું ન વગાડે અને શત્રુ આવીને કોઈને મારી નાખે તો મરનારો તો પોતાના દોષને કારણે મર્યો છે, પણ હું તેના ખૂન માટે ચોકીદારને જવાબદાર ઠરાવીશ. “હે મનુષ્યપુત્ર, મેં પણ તને ઇઝરાયલી પ્રજા માટે ચોકીદાર નીમ્યો છે. માટે જ્યારે હું ઇઝરાયલી પ્રજા માટે મારે મુખે ચેતવણી ઉચ્ચારું ત્યારે તે સાંભળીને તારે તેમને મારા તરફથી ચેતવવાના છે. જ્યારે હું કોઇ દુષ્ટને કહું કે, ‘તું તારી દુષ્ટતાને લીધે માર્યો જશે,’ અને તું તે માણસને પોતાનું દુરાચરણ છોડી દેવાની ચેતવણી ન આપે તો તે દુષ્ટ તો પોતાના પાપે મરશે જ, પણ એના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ. પણ જો તેં તે દુષ્ટને તેનાં દુરાચરણ છોડી દેવાની ચેતવણી આપી હોય અને છતાં તે પોતાના દુરાચારથી ન ફરે તો તે તેનાં પાપે મરશે, પણ તું તારી પોતાની જિંદગી બચાવીશ.” પ્રભુએ મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને કહે કે તમે લોકો એમ કહો છો કે, ‘અમારાં પાપો અને અપરાધોનો બોજો અમારે શિર છે, તેથી અમે ક્ષીણ થતા જઈએ છીએ, પછી અમે કેવી રીતે જીવતા રહીએ?’ તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઈને કહે છે કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી. હું તો ઇચ્છું કે તે પોતાનું દુરાચરણ છોડી દે અને જીવે. હે ઇઝરાયલીઓ, ફરો; તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો. તમે શા માટે મરવા માંગો છો? “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓને કહે કે, કોઈ નેક માણસ પાપ કરે ત્યારે તેની નેકી તેનો જાન બચાવી શકશે નહિ. જો કોઇ દુષ્ટ પોતાની દુષ્ટતા છોડી દે તો તેની દુષ્ટતાને લીધે તે માર્યો જશે નહિ. જો કોઈ નેક માણસ પાપ કરે તો તેનો જાન બચવા પામશે નહિ. હું કોઈ નેક માણસને કહું કે તું જીવશે પણ જો તે પોતાની નેકી પર ભરોસો રાખીને પાપ કરે તો હું તેનું એકેય નેક કામ સંભારીશ નહિ. તે પોતાના પાપને લીધે માર્યો જશે. હું કોઇ દુષ્ટને કહું કે, ‘તું નક્કી માર્યો જશે,’ પણ જો તે પોતાના પાપથી પાછો ફરીને ન્યાયનીતિથી વર્તે; જેમ કે, એ દુષ્ટ માણસ પોતાને ત્યાં ગીરો મૂકેલી વસ્તુ પાછી આપે, પોતે ચોરેલી વસ્તુ પાછી આપે અને કંઈ પાપ ન કરતાં જીવનદાયક નિયમો પાળે તો તે માર્યો જશે નહિ, પણ નક્કી જીવશે. એણે પહેલાં કરેલાં પાપ નહિ સંભારતાં હું તેમને માફ કરીશ અને તે ન્યાયનીતિથી વર્ત્યો હોવાથી તે નક્કી જીવશે. “તારા લોકો કહે છે કે, ‘પ્રભુનો વ્યવહાર વાજબી નથી.’ પરંતુ હકીક્તમાં તો તેમનું પોતાનું આચરણ યથાર્થ નથી. જ્યારે કોઈ નેક માણસ નેકી છોડી દઈને દુરાચાર આચરે તો એને લીધે તે નક્કી માર્યો જશે. જ્યારે કોઇ દુષ્ટ માણસ પાપ કરવાનું છોડી દઇને ન્યાયનીતિથી વર્તે તો તે જીવતો રહેશે. છતાં, હે ઇઝરાયલીઓ, તમે કહો છો કે, ‘પ્રભુનો વ્યવહાર વાજબી નથી.’ હું તો તમારામાંના દરેકનો તેનાં આચરણ પ્રમાણે ન્યાય કરીશ.” અમારો દેશનિકાલ થયાના બારમા વર્ષના દસમા માસના પાંચમા દિવસે યરુશાલેમથી નાસી આવેલા એક માણસે મને કહ્યું કે, “યરુશાલેમનું પતન થયું છે.” તે આવ્યો તેની આગલી સાંજે પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો કબજો લીધો હતો. તે માણસ બીજે દિવસે સવારમાં આવ્યો, ત્યારે પ્રભુએ મને બોલવાની શક્તિ પાછી આપી હતી. આમ, મારી વાચા ખૂલી ગઇ અને ત્યાર પછી હું મૂંગો રહ્યો નહિ. પ્રભુનો સંદેશ મને મળ્યો, “હે મનુષ્યપુત્ર, જે લોકો ઇઝરાયલ દેશના ઉજ્જડ થઇ ગયેલાં નગરોમાં રહે છે તેઓ કહે છે કે, ‘અબ્રાહામ એકલો હતો છતાં તેને આખો દેશ આપવામાં આવ્યો હતો, જ્યારે અમે તો ઘણા છીએ; તેથી આ દેશ અમારો જ છે.’ એમને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે કે તમે રક્તવાળું માંસ ખાઓ છો, મૂર્તિઓનું ધ્યાન ધરીને પૂજા કરો છો અને તમે ખૂન કરો છો, છતાં તમે કેવી રીતે માની લો છો કે દેશ તમારો છે? તમે તમારી તલવાર પર આધાર રાખો છો, તમારાં કૃત્યો ઘૃણાપાત્ર છે અને તમે સૌ વ્યભિચાર કરો છો, પછી તમે કેવી રીતે માની લો છો કે દેશ તમારો છે? “તેમને કહે કે પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઇને કહે છે કે જેઓ ઇઝરાયલનાં ઉજ્જડ નગરોમાં વસે છે તેઓ તલવારથી મરશે, અને જેઓ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, તેઓ જંગલી પ્રાણીઓનો ભક્ષ થઇ પડશે, જેઓ પર્વતો અને ગુફાઓમાં છુપાયા હશે તેઓ રોગચાળાથી માર્યા જશે. હું આખા દેશને ઉજ્જડ અને વેરાન બનાવી દઇશ. જેનો તેમને ઘમંડ હતો તે દેશની સમૃદ્ધિનો અંત આવશે અને ઇઝરાયલના પહાડો એવા તો વેરાન થઇ જશે કે ત્યાંથી કોઇ પસાર થઇ શકશે નહિ. હું લોકોને તેમનાં ઘૃણાજનક કાર્યોને કારણે સજા કરીશ અને દેશને ઉજ્જડ ને વેરાન બનાવી દઇશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારા લોકો શહેરના કોટની પાસે અને ઘરનાં બારણે તારે વિશે વાતો કરે છે. તેઓ એકબીજાને કહે છે: ‘આવો, પ્રભુ તરફથી આવતો સંદેશો સાંભળીએ.’ તેથી મારા લોકો તારી પાસે આવીને તારું સાંભળવા તારી પાસે ટોળે મળીને બેસે છે, તેઓ તારી વાત સાંભળે છે, પણ તેનો અમલ કરતા નથી. તેઓ તેમના મુખની વાતોથી તો બહુ પ્રેમ દર્શાવે છે, પરંતુ તેમનું હૃદય સ્વાર્થ પાછળ ભટકે છે. તું તેમને માટે મધુર કંઠે પ્રેમગીતો ગાનાર ગવૈયા જેવો કે કુશળ વાદક જેવો છે, કારણ, તેઓ તારા સંદેશા સાંભળે છે, પણ તેમાંના એકેયનો અમલ કરતા નથી. પણ જ્યારે તારા સંદેશા સાચા પડશે અને એ પ્રમાણે થશે જ ત્યારે તેઓ જાણશે કે તેમની મધ્યે એક સંદેશવાહક છે.” પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના રાજપાલકો વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. તેમને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે, ‘હે ઇઝરાયલના ઘેટાંપાળકો, તમને ધિક્કારે છે.’ તમે તો તમારું પોતાનું જ પોષણ કરો છો, પણ ઘેટાંની સંભાળ રાખતા નથી. તમે દૂધદહીં ખાઓ છો, ઊનનાં વસ્ત્રો પહેરો છો, અને સૌથી પુષ્ટ ઘેટાંનું માંસ ખાઓ છો, પણ તમે કદી ઘેટાંનું પોષણ કરતા નથી. તમે દૂબળાંને બેઠાં કર્યા નથી, બીમારની સારવાર કરીને તેમને સાજાં કર્યા નથી, ઘાયલ થયેલાંને પાટા બાંયા નથી, ભટકી ગયેલાંને પાછાં લાવ્યા નથી કે ખોવાઇ ગયેલાંને શોયાં નથી. ઊલટું, તમે તો તેમના પર બળજબરી અને સખતાઈથી શાસન કરો છો. “પાળક ન હોવાને કારણે ઘેટાં વિખેરાઇ ગયાં છે અને જંગલી પ્રાણીઓનો ભક્ષ થઇ પડયાં છે. મારાં ઘેટાં ઊંચા ડુંગરો પર ને પહાડો પર ભટકી ગયાં છે. તેઓ પૃથ્વીના પટ પર બધા દેશોમાં વિખેરાઇ ગયાં છે, કોઇએ તેમની શોધ કરી નથી કે કોઇએ તેમને ખોળવાનો પ્રયત્ન કર્યો નથી. “એ માટે, હે ઘેટાંપાળકો, તમે પ્રભુનો સંદેશ સાંભળો. પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઇને કહે છે કે મારાં ઘેટાં શિકાર થઇ પડયાં છે, તેઓ જંગલી પ્રાણીઓનો ભક્ષ બન્યાં છે, કારણ, તેમનો કોઇ પાળક નથી. વળી, મારાં પાળકોએ મારાં ઘેટાંની શોધ કરી નથી. તેમણે મારાં ઘેટાંનું પોષણ કરવાને બદલે માત્ર પોતાનું જ પેટ ભર્યું છે. તેથી હે પાળકો, તમે મારું કહેવું સાંભળો. હું, પ્રભુ પરમેશ્વર, સમ ખાઇને કહું છું કે હું તમારી વિરુદ્ધ છું. હું મારાં ઘેટાં તમારી પાસેથી પાછાં લઇ લઇશ. હું ફરી કદી તમને મારાં ઘેટાંનાં પાળકો બનાવીશ નહિ. હું ફરી કદી તમને તમારું પોતાનું જ પોષણ કરવા દઈશ નહિ. હું મારાં ઘેટાંને તમારાથી બચાવીશ અને તેમને તમારો ભક્ષ થવા દઇશ નહિ. “હું પ્રભુ પરમેશ્વર, તમને કહું છું કે હું જાતે જ મારાં ઘેટાંને શોધી કાઢીશ. જેમ કોઇ ઘેટાપાળક આમતેમ વિખેરાઇ ગયેલાં પોતાનાં ઘેટાંને શોધવા જાય છે અને તેમને પાછાં લાવે છે, તેમ હું પણ મારાં ઘેટાંને શોધીશ અને તેમને બધેથી એકત્ર કરીને પાછા લાવીશ. જ્યાં જ્યાં તેઓ વિખેરાઇ ગયાં હશે ત્યાંથી હું તેમને પાછાં લઇ આવીશ. હું તેમને પરદેશોમાંથી અને અન્ય જાતિઓમાંથી કાઢી લાવીને એકત્ર કરીશ અને તેમને પોતાના દેશમાં પાછાં લાવીશ. હું તેમને ઇઝરાયલના પર્વતો પર અને ઝરણાંઓ પાસે દોરી જઇશ અને તેમને આનંદદાયક ગોચરોમાં ચરાવીશ. હું તેમને ઇઝરાયલના પહાડો પર ઉત્તમ ચારો ચરાવીશ. પહાડોનાં ઢોળાવો પરનો ચારો તેમનો થશે. ત્યાં તેઓ ગૌચરમાં ચરશે અને ઇઝરાયલના પહાડોના ઉત્તમ ચારાથી તેમનું પોષણ થશે. “હું પોતે જ મારા ઘેટાંનો પાળક બનીશ અને તેમને વિશ્રામ કરાવીશ. હું, પ્રભુ પરમેશ્વર, એ કહું છું. હું ખોવાઇ ગયેલાંઓને શોધીશ, ભટકી ગયેલાંને પાછાં લાવીશ, ઘાયલ થયેલાંઓને પાટાપિંડી કરીશ, બીમારને સાજાં કરીશ, પણ પુષ્ટ તથા બળવાનનો હું નાશ કરીશ. કારણ, હું યોગ્ય રીતે મારાં ઘેટાંનું પોષણ કરીશ. “હવે હું પ્રભુ પરમેશ્વર, મારા ટોળાને ઉદ્દેશીને કહું છું કે હું ઘેટાં ઘેટાં વચ્ચે અને ઘેટાં અને બકરાં વચ્ચે ન્યાય કરીશ. તમારામાંના કેટલાંક સારો સારો ચારો ચરી જાઓ છો. અને એટલું પૂરતું ન હોય તેમ બાકીનો ભાગ પગ નીચે ખૂંદી નાખો છો! વળી, સ્વચ્છ પાણી પીધા પછી તમે બાકીનું પાણી પગ વડે ડહોળી નાખો છો! મારા બાકીનાં ઘેટાંએ તમારા પગ તળે ખૂંદી નંખાયેલું ખાવું પડે છે અને તમારા પગ વડે ડહોળાયેલું પાણી પીવું પડે છે. “તેથી હું પ્રભુ પરમેશ્વર તમને કહું છું કે હવે હું પોતે હૃષ્ટપુષ્ટ અને દૂબળાં ઘેટાં વચ્ચે ન્યાય કરીશ. તમે બીમાર ઘેટાંને પડખાથી અને ખભેથી હડસેલા મારો છો અને તમારા શિંગડાંથી ધક્કા મારી તેમને ટોળાથી દૂર વિખેરી નાખો છો. પણ હું મારાં ઘેટાંનો બચાવ કરીશ અને હવે તેમને કોઇનો શિકાર થવા દઇશ નહિ. હું ઘેટાંઘેટાં વચ્ચે ન્યાય કરીશ. હું એમનો પાળક થવા માટે મારા સેવક દાવિદ જેવો એક રાજા નીમીશ અને તે તેમનું પોષણ કરશે. હું પ્રભુ તેમનો ઈશ્વર થઇશ અને મારા સેવક દાવિદ જેવો રાજા તેમનો શાસક થશે. આ હું, પ્રભુ, બોલ્યો છું. હું તેમની સાથે સહીસલામતી બક્ષતો કરાર કરીશ. હું દેશમાંથી બધાં વિકરાળ જંગલી પશુઓને હાંકી કાઢીશ એટલે મારાં ઘેટાં ખુલ્લા ગોચરોમાં નિશ્ર્વિંતતાથી નિવાસ કરશે અને જંગલોમાં સૂશે. હું તેમને આશિષ આપીશ અને મારા પર્વતની આસપાસનાં સ્થળોને આશીર્વાદિત કરીશ. હું ઋતુ અનુસાર વરસાદ વરસાવીશ. તે તેમને માટે આશિષની વૃષ્ટિ બની રહેશે. વૃક્ષોને ફળ આવશે, ખેતરોમાં પાક થશે અને દરેક જણ પોતાના દેશમાં સહીસલામતીમાં જીવશે. હું મારા લોકની ઝૂંસરી તોડી નાંખીશ અને ગુલામ બનાવનારાઓના હાથમાંથી તેમને છોડાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. પરદેશીઓ હવે ફરી કદી તેમને લૂંટી લેશે નહિ અને તેઓ જંગલી પ્રાણીઓનો ભક્ષ થઇ પડશે નહિ. તેઓ સહીસલામતીમાં જીવશે. હું તેમને ફળદ્રુપતા માટે પંક્યેલા એવાં ખેતરો આપીશ અને તેઓ દેશમાં દુકાળનો ભોગ થઇ પડશે નહિ. અન્ય પ્રજાઓ ફરી કદી તેમની મજાક ઉડાવશે નહિ. તેઓ સૌ જાણશે કે હું પ્રભુ, ઇઝરાયલનો ઈશ્વર, તેમની રક્ષા કરું છું અને તેઓ મારી પ્રજા છે. હું, પ્રભુ પરમેશ્વર, એ બોલ્યો છું. “તમે મારા ઘેટાં છો, હું તમારો ઘેટાંપાળક છું. તમે મારી પ્રજા છો અને હું તમારો ઈશ્વર છું.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, તારું મુખ સેઇર પર્વત તરફ રાખીને અદોમના લોક વિરુદ્ધ સંદેશ પ્રગટ કરીને કહે કે, પ્રભુ પરમેશ્વર કહે છે કે, ઓ સેઇરના પર્વતીય પ્રદેશ, હું તારી વિરુદ્ધ છું. હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તને ઉજ્જડ ને વેરાન બનાવી દઇશ. હું તારાં નગરોને ખેદાનમેદાન કરી નાખીશ અને તું ઉજ્જડ થઇ જશે ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું. જ્યારે ઇઝરાયલી લોકોને તેમનાં પાપને લીધે આકરામાં આકરી શિક્ષા થઈ, એટલે કે તેમના પર આફત આવી પડી ત્યારે તારી જૂની દુશ્મનાવટને લીધે તેં તેમનો સંહાર થવા દીધો. તેથી હું, પ્રભુ પરમેશ્વર, મારા પોતાના સમ ખાઇને કહું છું કે હું તને કત્લેઆમ માટે તૈયાર કરીશ. સંહારમાંથી તું છટકી શકશે નહિ, તેં ખૂનનો અપરાધ કર્યો છે એટલે ખૂન તારો પીછો કરશે. હું અદોમના પર્વતીય પ્રદેશને વેરાન બનાવી દઇશ અને તેમાં થઇને આવજા કરનારનો સંહાર કરીશ. હું તેના પર્વતોને મૃતદેહોથી ભરી દઈશ અને યુદ્ધમાં માર્યા ગયેલાંના મૃતદેહોથી તેના ડુંગરો, ખીણો અને નાળાં છવાઇ જશે. હું તને સદાને માટે વેરાન કરી નાખીશ અને તારા નગરોમાં ફરી કદી વસવાટ થશે નહિ. ત્યારે હું જાણશે કે હું પ્રભુ છું. જો કે હું પ્રભુ યહૂદા અને ઇઝરાયલનો ઈશ્વર છું, તોપણ તેઓ તેમના પ્રદેશ સહિત તારાં છે અને તું તેમના પર કબજો જમાવશે એવું તું બોલ્યો હતો. તેઓ પ્રત્યેની ઈર્ષ્યા અને ઘૃણાને લીધે તેં જે રોષ દાખવ્યો છે તે પ્રમાણે હું તારા પ્રત્યે પણ વર્તીશ. હું તને સજા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું તેમની સાથે છું. ત્યારે એ પણ ખબર પડશે કે, ‘ઇઝરાયલના પર્વતો તો ઉજ્જડ છે અને તે અમારો ભક્ષ થઇ પડશે.’ એવી જે નિંદાજનક વાતો તું બોલ્યો છે તે મેં સાંભળી છે. તેં મારી વિરુદ્ધ ફાવે તેવી બડાઇઓ હાંકી છે અને તે મેં સાંભળી છે. પ્રભુ પરમેશ્વર કહે છે કે, હું પણ એવો ઉજ્જડ અને વેરાન બનાવી દઈશ કે આખી દુનિયા તારા પતનથી હરખાશે. મારી અંગત મિલક્ત સમાન ઇઝરાયલને ખેદાનમેદાન થયેલો જોઇને જેમ તું આનંદ કરતો હતો તેમ સેઇરનો પર્વતીય પ્રદેશ, સમસ્ત અદોમ પ્રદેશ પણ વેરાન થઇ જશે ત્યારે સૌ જાણશે કે હું પ્રભુ છું.” પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના પર્વતોને ઉદ્દેશીને તેમના વિશે સંદેશ પ્રગટ કર; તું તેમને કહે કે: હે ઇઝરાયલના પર્વતો, પ્રભુનો સંદેશ સાંભળો. પ્રભુ પરમેશ્વર આમ કહે છે: ઇઝરાયલના શત્રુએ તમારે વિશે કહ્યું છે કે, ‘અરે, આ પ્રાચીન પર્વતો હવે અમારી માલિકીના છે!’ ” એ માટે તું સંદેશ પ્રગટ કરીને ઇઝરાયલના પર્વતોને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “બીજી પ્રજાઓએ તમારા પર અધિકાર જમાવી તમને પાયમાલ કર્યા છે અને ચારે બાજુથી તમને રોળી નાખ્યા છે અને આસપાસની પ્રજાઓએ તમારી મજાક ઉડાવી છે અને કૂથલી કરી છે. તેથી, હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ પરમેશ્વરનો સંદેશ સાંભળો. હે પહાડો અને ડુંગરો, નાળાં અને ખીણો, ખંડેર બનેલાં સ્થળો અને બીજી પ્રજાઓએ લૂંટી લીધેલાં અને તેમની હાંસીનો ભોગ બનેલાં નગરો, તમે મારું કહેવું સાંભળો. હું, પ્રભુ પરમેશ્વર, મારા ક્રોધાવેશમાં આસપાસની પ્રજાઓ અને વિશેષ કરીને અદોમ વિરુદ્ધ બોલ્યો છું. તેમણે હર્ષોલ્લાસમાં આવીને ઘૃણાપૂર્વક મારા દેશનો કબજો લીધો છે અને તેનાં ગોચરો પર અધિકાર જમાવ્યો છે. તેથી ઇઝરાયલ દેશ વિશે સંદેશ પ્રગટ કરીને તું તેના પહાડો અને ડુંગરોને, નાળાંને અને ખીણોને કહે કે, પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: અન્ય પ્રજાઓએ તમારું અપમાન કર્યું છે અને તમને મહેણાં માર્યા છે. તેથી હું મારા ક્રોધાવેશમાં બોલ્યો છું. “હું, પ્રભુ પરમેશ્વર, સમ ખાઇને કહું છું કે તમારી આસપાસની પ્રજાઓ જ મહેણાંટોણાંનો ભોગ થઇ પડશે. પણ હે ઇઝરાયલના પર્વતો, તમારા પરનાં વૃક્ષોની ડાળીઓ ફૂટશે અને ટૂંક સમયમાં સ્વદેશ પાછા ફરનાર મારા લોકો માટે એ વૃક્ષો ફળવંત બનશે. હું તમારે પક્ષે છું. હું તમારા તરફ ફરીશ. તમારી ભૂમિ ફરીથી ખેડાશે અને ત્યાં વાવણી થશે. હું તમારા પર વસતી વધારીશ એટલે કે સમગ્ર ઇઝરાયલી વંશની વૃદ્ધિ થશે. નગરો ફરીથી વસતીવાળાં થશે અને ખંડેરોનું પુન:નિર્માણ થશે. હું તમારા ઉપર મનુષ્યો અને પશુઓની વૃદ્ધિ કરીશ. તેમનો વંશવેલો ખૂબ વધશે. હું તેમને પ્રાચીન સમયની જેમ ત્યાં વસાવીશ. અને પહેલાંના કરતાં પણ વધારે સુખસમૃદ્ધિ આપીશ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. મારા ઇઝરાયલી લોકોને ફરી તમારા પર હરતાફરતા કરીશ. તેઓ તમારા માલિક થશે અને તમે તેમની વારસાઇ સંપત્તિ બનશો. હવે પછી કદી તમે તેમને નિ:સંતાન કરશો નહિ.” પ્રભુ પરમેશ્વર કહે છે કે, “લોકો ઇઝરાયલ દેશ વિશે એવું કહે છે કે તે માનવભક્ષી ભૂમિ છે અને પોતામાં વસનાર પ્રજાને નિર્વંશ બનાવનાર છે. પણ હવે પછી તું કદી માનવભક્ષી બનશે નહિ અને ફરી કદી તારી પ્રજાને નિર્વંશ કરશે નહિ.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. “તારે હવે કદી પરદેશીઓની નિંદા સાંભળવી નહિ પડે, તારે ફરી કદી અન્ય પ્રજાઓનાં મહેણાંટોણાં સાંભળવા નહિ પડે. તું હવે તારામાં વસતી પ્રજાના સંતાન છીનવી લેશે નહિ.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, જ્યારે ઇઝરાયલીઓ પોતાના દેશમાં રહેતા હતા ત્યારે તેમણે પોતાનાં આચરણ તથા કૃત્યોથી તેને ભ્રષ્ટ કર્યો હતો. મારી આગળ તેમનાં આચરણ રજ:સ્વલા સ્ત્રીની અશુદ્ધતા જેવાં અશુદ્ધ હતાં.” તેમણે એ દેશમાં હત્યાઓ કરી હતી અને મૂર્તિપૂજા દ્વારા તેને અશુધ બનાવ્યો હતો. માટે મેં મારો કોપ તેમના પર વરસાવ્યો. મેં તેમનાં આચરણ અને કૃત્યો અનુસાર તેમનો ન્યાય કર્યો અને તેમને અન્ય પ્રજાઓમાં વિખેરી નાખ્યા અને તેમને પરદેશમાં વેરવિખેર કરી નાખ્યા. જે પ્રજાઓમાં તેઓ ગયા તેમની મધ્યે તેમણે મારા પવિત્ર નામને કલંક લગાડયું, લોકો તેમને વિશે એવું કહેવા લાગ્યા, ‘આ તો પ્રભુના લોકો છે, છતાં એમને પ્રભુએ આપેલો દેશ છોડવો પડયો છે.’ પણ મને તો મારા પવિત્ર નામની પરવા છે, કારણ, જ્યાં જ્યાં ઇઝરાયલીઓ ગયા ત્યાં ત્યાં તેમણે તેને કલંક લગાડયું છે.” “એ માટે તું ઇઝરાયલીઓ કહે કે, પ્રભુ પરમેશ્વર આમ કહે છે: ‘જે કામ હું કરું છું તે ઇઝરાયલીઓ માટે કરતો નથી, પણ મારા પવિત્ર નામને લીધે કરું છું કે જેને તમે જે જે પ્રજાઓ મધ્યે ગયા ત્યાં કલંક લગાડયું છે. અન્ય પ્રજાઓમાં તમે જેને કલંક લગાડયું છે એવું મારું મહાન નામ ખરેખર પવિત્ર છે એવું હું બતાવી આપીશ અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ પરમેશ્વર છું. હું તમારા માયમ દ્વારા પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતા સિધ કરી બતાવીશ. હું તમને અન્ય પ્રજાઓમાંથી મુક્ત કરીને સર્વ દેશોમાંથી એકત્ર કરીશ અને તમને તમારા દેશમાં પાછા લાવીશ. હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ. હું તમને નવું હૃદય આપીશ અને તમારી અંદર નવો આત્મા મૂકીશ. હું તમારામાંથી પાષાણસમ હઠીલું હૃદય દૂર કરીશ અને તમને માંસનું આધીન હૃદય આપીશ. હું તમારામાં મારો પોતાનો આત્મા મૂકીશ અને તમે મારા નિયમોનું પાલન કરો અને મારી સર્વ આજ્ઞાઓ પાળો તેવું કરીશ. જે દેશ તમારા પૂર્વજોને મેં આપ્યો હતો તેમાં તમે વસશો, તમે મારી પ્રજા થશો અને હું તમારો ઈશ્વર થઇશ. હું તમને તમારી બધી મલિનતાઓમાંથી મુક્ત કરીશ. હું અનાજને આજ્ઞા કરીને તેને વધારીશ. તેથી તમારે ત્યાં કદી દુકાળ પડશે નહિ. હું તમારાં વૃક્ષોનાં ફળ અને તમારાં ખેતરોની ઊપજમાં એવો વધારો કરીશ, જેથી સર્વ પ્રજાઓમાં તમે દુકાળને કારણે નિંદાપાત્ર બનશો નહિ. ત્યારે તમને તમારાં અધમ આચરણ અને દુષ્કર્મો યાદ આવશે અને તમે તમારાં પાપો અને અપરાધોને કારણે પોતાને ધિક્કારશો. ઇઝરાયલના વંશજો, યાદ રાખો, કે આ હું તમારે લીધે કરતો નથી. તમે તો તમારા આચરણથી લજ્જિત અને ફજેત થાઓ! હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.” પ્રભુ પરમેશ્વર કહે છે કે, “હું તમારાં પાપોમાંથી તમને શુદ્ધ કરીશ, હું તમને તમારાં નગરોમાં ફરીથી વસાવીશ અને તમારાં ખંડિયેરોનું નવનિર્માણ કરીશ. જે ખેતરો તેમાં થઈને આવજા કરનાર સૌની દષ્ટિમાં પડતર અને વેરાન દેખાતાં હતાં ત્યાં ફરીથી ખેડાણ થશે. તેઓ કહેશે કે, જે ભૂમિ આજ સુધી વેરાન હતી તે એદનબાગ સમી બની ગઇ છે અને તોડી નાખેલા નિર્જન અને ખંડિયેર બનેલાં નગરોની આસપાસ કોટ બંધાયા છે અને તેઓ ફરી વસતીવાળાં બન્યાં છે. તમારી આસપાસની બાકી રહેલી પ્રજાઓ જાણશે કે મેં, પ્રભુએ, ખંડેર બનેલાં નગરોને ફરી બાંધ્યાં છે અને વેરાન બનેલી ભૂમિમાં ફરી વાવેતર કર્યું છે. મેં, પ્રભુએ, તે કરવાનું વચન આપ્યું છે અને હવે હું એ પાળીશ.” પ્રભુ પરમેશ્વર કહે છે, “હું ઇઝરાયલીઓની સહાય માટેની મને કરેલી વિનંતી માન્ય રાખીશ અને હું ઘેટાંના ટોળાની જેમ તેમના વંશની વૃદ્ધિ કરીશ. આજે ઉજ્જડ બનેલાં નગરો, પર્વને દિવસે યરુશાલેમમાં ઉભરાતાં યજ્ઞબલિ માટેનાં ઘેટાંનાં ટોળાની જેમ મનુષ્યોનાં ટોળાંથી ઉભરાશે. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો કબજો લીધો અને તેમનો આત્મા મને બહાર લઇ ગયો અને મને હાડકાંથી છવાયેલી ખીણમાં મૂક્યો. તેમણે મને હાડકાંની વચમાં ચોગરદમ આખી ખીણમાં ફેરવ્યો, મેં જોયું તો ખીણમાં અસંખ્ય હાડકાં હતાં અને તે ઘણાં સૂકાં હતાં. પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું આ હાડકાં પાછાં જીવતાં થઇ શકે?” મેં કહ્યું: “પ્રભુ પરમેશ્વર, એ તો માત્ર તમે જ જાણો છો.” તેમણે કહ્યું,: “તું આ હાડકાંને સંદેશ સંભળાવ. એ સૂકાં હાડકાંને કહે કે તેઓ પ્રભુનો સંદેશ સાંભળે. તેમને કહે કે પ્રભુ પરમેશ્વર તમને આ પ્રમાણે કહે છે: હું તમારામાં શ્વાસ ફૂંકીશ અને તમને ફરી જીવતાં કરીશ. હું તમારા પર સ્નાયુઓ મૂકીશ, માંસ પૂરીશ અને તમને ચામડીથી ઢાંકી દઇશ અને તમારામાં શ્વાસ ફૂંકીને તમને જીવતાં કરીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.” તેથી મને આદેશ મળ્યો હતો તે મુજબ હું સંદેશ પ્રગટ કરવા લાગ્યો. હું બોલતો હતો તેવામાં જ એક ગડગડાટનો અવાજ સંભળાયો અને એક હાડકું તેને લગતાં હાડકા સાથે એમ બધાં હાડકાં એકબીજા સાથે જોડાઇ ગયાં. હું એ જોઈ રહ્યો હતો એવામાં હાડકાં પર સ્નાયુઓ દેખાયા, માંસ ભરાઇ ગયું અને ઉપર ચામડીનું આવરણ આવી ગયું. પણ તેમનામાં શ્વાસ ન હતો. ઈશ્વરે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું પવનને ઉદ્દેશીને સંદેશ પ્રગટ કર. પવનને કહે કે, ‘પ્રભુ પરમેશ્વર તને ચારે દિશામાંથી ફૂંકાવાની આજ્ઞા આપે છે. તું આ મૃતદેહોમાં પ્રાણ પૂર કે જેથી તેઓ જીવતાં થાય.” તેથી મને મળેલી આજ્ઞા પ્રમાણે મેં સંદેશ પ્રગટ કર્યો. એટલે મૃતદેહોમાં પ્રાણનો સંચાર થયો, તેઓ જીવતાં થયાં અને પોતાના પગ પર ઊભા રહ્યા. તેઓ એક વિશાળ સૈન્યની જેમ મોટી સંખ્યામાં હતા. ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના સમગ્ર વંશજો આ હાડકાં જેવાં છે. તેઓ કહે છે કે, ‘અમારાં હાડકાં સૂકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે. અમારે કોઇ ભવિષ્ય નથી.’ તેથી તું મારા તરફથી તેમને સંદેશ પ્રગટ કરીને તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર તમને કહે છે, ‘હે મારા લોકો, હું તમારી કબરો ઉઘાડીશ અને તેમાંથી તમને બહાર કાઢીને ઇઝરાયલ દેશમાં પાછા લાવીશ.’ મારા લોકો જ્યાં દટાયા છે તે કબરો ઉઘાડીને હું તેમને બહાર લાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. હું તમારામાં મારો આત્મા મૂકીશ એટલે તમે જીવતા થશો અને હું તમને તમારા પોતાના દેશમાં વસાવીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. મેં એ કરવાનું વચન આપ્યું છે અને હું તે પાળીશ.” પ્રભુ પરમેશ્વર પોતે એ બોલ્યા છે. ફરીથી પ્રભુનો સંદેશ મને મળ્યો, “હે મનુષ્યપુત્ર, એક લાકડી લે અને તેના ઉપર લખ, ‘યહૂદા અને તેની સાથેના ઇઝરાયલીઓનું રાજ્ય.’ પછી બીજી લાકડી લે અને તેના ઉપર લખ ‘એફ્રાઈમ અને તેની સાથેના ઇઝરાયલીઓનું રાજ્ય.’ આ બન્‍નેને એકબીજા સાથે જોડીને એક લાકડી બનાવ એટલે તારા હાથમાં તે એક લાકડી હોય તેવું દેખાય. તારા લોક તને તેનો અર્થ પૂછે, તો તેમને કહેજે કે, ‘પ્રભુ પરમેશ્વર કહે છે: હું એફ્રાઈમના હસ્તકના ઇઝરાયલને દર્શાવતી યોસેફની લાકડી લઇને તેને યહૂદાને દર્શાવતી લાકડી સાથે જોડી દઇને બન્‍નેની એક લાકડી બનાવીશ, એટલે મારા હાથમાં તે બન્‍ને એક થઇ જશે.’ “બન્‍ને લાકડીઓને તારા હાથમાં એવી રીતે રાખ કે જેથી લોકો તેમને જોઈ શકે. પછી તું તેમને કહેજે કે પ્રભુ પરમેશ્વર કહે છે: ‘જે અન્ય પ્રજાઓમાં ઇઝરાયલીઓ ગયા છે. તેઓમાંથી હું તેમને મુક્ત કરીશ, તેમને સર્વ સ્થળેથી એકઠા કરીશ ને તેમને તેમના પોતાના દેશમાં પાછા લાવીશ. હું તેમને પોતાના દેશમાં ઇઝરાયલના પર્વતો પર એક પ્રજા કરીશ. તેમના ઉપર એક જ રાજા રાજ્ય કરશે. તેઓ ફરી કદી બે અલગ પ્રજાઓ થશે નહિ કે ફરી કદી બે અલગ રાજ્યોમાં વિભાજિત થશે નહિ. તેઓ ફરી કદી પોતાની ઘૃણાસ્પદ મૂર્તિઓથી પોતાને અશુદ્ધ કરશે નહિ કે પાપથી પોતાને ભ્રષ્ટ કરશે નહિ. તેઓ જે જે રીતે અને જ્યાં જ્યાં પાપ કરીને મને બેવફા બન્યા છે, તેમાંથી હું તેમને છોડાવીશ અને શુધ કરીશ. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો ઈશ્વર થઇશ. મારા સેવક દાવિદ જેવો એક રાજા તેમના પર રાજ કરશે. તે સર્વનો એક પાલક થશે. તેઓ એક રાજા નીચે એકત્ર થશે અને નિષ્ઠાપૂર્વક મારા નિયમોનું અને ફરમાનોનું પાલન કરશે. મારા સેવક યાકોબને આપેલા દેશમાં તેઓ વસશે. ત્યાં તેમના પૂર્વજો પણ રહેતા હતા. ત્યાં તેઓ અરે, તેમનાં સંતાનોનાં સંતાનો પણ તેમાં કાયમને માટે વસશે. મારા સેવક દાવિદ જેવો રાજા તેમના પર શાશ્વત શાસન કરશે. હું તેમની સાથે તેમને કાયમની સલામતીની બાંયધરી આપતો શાંતિનો કરાર કરીશ. હું તેમનું સંસ્થાપન કરીશ, તેમના વંશવેલાની વૃધિ કરીશ અને તેમની મધ્યે સદાને માટે મારા મંદિરને સ્થાપીશ. હું ત્યાં તેમની સાથે વસવાટ કરીશ. હું તેમનો ઈશ્વર થઇશ અને તેઓ મારી પ્રજા થશે. જ્યારે હું મારું મંદિર સદાને માટે તેમની મધ્યે સ્થાપીશ ત્યારે સર્વ પ્રજાઓ જાણશે કે મેં, પ્રભુએ, ઇઝરાયેલને મારી પ્રજા થવા માટે પવિત્ર કરેલ છે.” પ્રભુનો સંદેશ મને મળ્યો: “હે મનુષ્યપુત્ર, માગોગ દેશની મેશેખ અને તુબાલની પ્રજાઓના મુખ્ય શાસક ગોગ તરફ તારું મુખ રાખ અને તેની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. તેને કહે કે, પ્રભુ પરમેશ્વર કહે છે: “હે ગોગ, હું તારી વિરુદ્ધ છું. હું તને પાછો ફેરવીશ, ને તારા જડબામાં કડીઓ ઘાલીને તારા સમસ્ત સૈન્ય સહિત હું તને બહાર ખેંચી લાવીશ. તારા વિશાળ સૈન્યમાં ઘોડા અને શસ્ત્રસજ્જ ઘોડેસ્વારો હશે, તેમાંના પ્રત્યેક સૈનિકે પોતાના હાથમાં ઢાલ અને તલવાર ધારણ કરેલી હશે. એ સૈન્યમાં ઇરાન, કૂશ તથા પુટનાં ઢાલ અને શિરટોપથી સજ્જ થયેલ સૈનિકો છે. ગોમેર અને તેનું સર્વ સૈન્ય તથા ઉત્તરના સૌથી છેવાડાના ભાગમાં રહેતા બેથ-તોગાર્માના સર્વ લડવૈયા અને બીજા અનેક દેશોના સૈનિકો પણ તારી સાથે છે. તું તૈયાર થા, અને તારા સેનાપતિપદ નીચે એકઠા થયેલા સર્વ સૈન્યોને તૈયાર રાખ. ઘણા વર્ષો પછી હું તને આદેશ આપીશ અને તું એવા દેશ પર આક્રમણ કરીશ કે જ્યાં યુદ્ધના સંહારથી બચી ગયેલા અને જુદી જુદી પ્રજાઓમાંથી એકત્ર કરવામાં આવેલા લોકો વસે છે. ઘણાં સમય સુધી ઉજ્જડ અને વસતીહીન રહેલા અને જ્યાં હવે ભિન્‍નભિન્‍ન દેશોમાંથી આવેલા સર્વ લોકો શાંતિ અને સલામતીમાં રહેતા હશે, તે ઇઝરાયલના પહાડો પર તું આક્રમણ કરીશ. તું, તારું સર્વ સૈન્ય તથા તારી સાથે આવેલી બીજી અનેક પ્રજાઓના લડવૈયાઓ એ દેશ પર આંધીની જેમ ત્રાટકશો અને દેશને વાદળની પેઠે ઢાંકી દેશો.” પ્રભુ પરમેશ્વર ગોગને આ પ્રમાણે કહે છે: “તે સમયે તું તારા મનમાં વિચારીને એક દુષ્ટ યોજના ઘડી કાઢશે. તું કહેશે કે, ‘હું કોટ વિનાના ગ્રામ્ય પ્રદેશ પર ચઢાઇ કરીશ, ત્યાં નથી કોટ, નથી દરવાજા કે નથી ભૂંગળો. પણ લોકો નિરાંત અને નિર્ભયતામાં વસે છે.’ અગાઉ વસતીહીન થઇ ગયેલા એ ગામોમાં હવે વસતી થઇ છે, એ લોકોને વિવિધ પ્રજાઓમાંથી કાઢી લાવીને એકત્ર કરવામાં આવ્યા છે. તેઓ હવે પશુપાલન કરે છે અને મિલક્ત ધરાવે છે. તેઓ પૃથ્વીના મધ્યભાગમાં વસે છે. હું તેઓ પર ત્રાટકીને તેમને લૂંટી લઇશ. શેબા અને દેદાનના લોકો અને તાર્શિશના વેપારીઓ અને આગેવાનો તને પૂછશે, ‘શું તૂં લૂંટ કરવા આવ્યો છે? શું સોનુરૂપું લૂંટી લેવા, પશુસંપત્તિ અને ધનસંપત્તિ ઉઠાવી જવા તેં તારું સૈન્ય એકઠું કર્યું છે?” “એ માટે, હે મનુષ્યપુત્ર, તું સંદેશ પ્રગટ કરીને ગોગને આ પ્રમાણે કહે. પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “જ્યારે મારા ઇઝરાયલી લોકો શાંતિ અને સલામતીમાં રહેતા હશે ત્યારે તું તેમના પર આક્રમણ કરીશ. તું ઉત્તરના સૌથી છેડેના ભાગમાં આવેલા તારા સ્થાનથી આવશે. તારી સાથે વિશાળ અશ્વદળ હશે અને તેમાં અનેક પ્રજાઓના લડવૈયાઓ સામેલ હશે. આખા દેશને ઢાંકી દેનાર વાદળની જેમ તું મારા ઇઝરાયલી લોક પર ચઢી આવશે. હે ગોગ, હું તને પાછલા દિવસોમાં મારા દેશ પર આક્રમણ કરવાને લઈ આવીશ, જેથી તારી મારફતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતાનું સમર્થન કરું અને તે દ્વારા તેઓ મને ઓળખે.” પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “ભૂતકાળમાં મારા સેવકો, એટલે ઇઝરાયલના સંદેશવાહકો દ્વારા મેં એવું ઘણીવાર જાહેર કર્યું હતું કે હું કોઈને ઇઝરાયલ પર આક્રમણ કરવા મોકલીશ, ત્યારે હું તારા જ વિષે કહેતો હતો.” પ્રભુ પરમેશ્વર કહે છે: “જે દિવસે ગોગ ઇઝરાયલ પર આક્રમણ કરશે તે દિવસે મારો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠશે. મારા પ્રકોપમાં અને ક્રોધાવેશમાં હું જાહેર કરું છું કે તે દિવસે ઇઝરાયલમાં ભયંકર ભૂકંપ થશે. જેથી સમુદ્રનાં માછલાં, આકાશનાં પક્ષીઓ, જંગલનાં પ્રાણીઓ, જમીન પર પેટે ચાલનારા જીવો તેમ જ પૃથ્વી પરના બધાં માણસો મારી સમક્ષ કાંપશે, પર્વતો ઊથલી પડશે, ભેખડો ધસી પડશે, અને બધી દીવાલો જમીનદોસ્ત થઈ જશે. હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું કે હું સર્વ પ્રકારના સંહારથી ગોગ પર ત્રાસ વર્તાવીશ; તેના માણસો એકબીજા સામે તલવારો ઉપાડશે. હું તેને રોગચાળાથી અને રક્તપાતથી સજા કરીશ. હું તેના પર, તેના સૈન્ય પર અને તેની સાથેની અનેક પ્રજાઓ ઉપર ધોધમાર વરસાદ, કરા, આગ અને ગંધક વરસાવીશ. આ રીતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારું માહાત્મ્ય અને મારી પવિત્રતા પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.” હે મનુષ્યપુત્ર, તું ગોગની વિરુદ્ધ સંદેશ પ્રગટ કરીને તેને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે: “હે મેશેખ અને તુબાલના મુખ્ય શાસક ગોગ, હું તારી વિરુદ્ધ છું. હું તને પાછો વાળીને દોરી લાવીશ, અને તને ઉત્તરના સૌથી દૂરના ભાગોમાંથી ઇઝરાયલના પર્વતો પર આક્રમણ કરવા લઈ આવીશ. હું પ્રહાર કરીને તારા ડાબા હાથમાંથી તારું ધનુષ્ય તોડી નાખીશ, અને તારા જમણા હાથમાંથી તારાં તીર નીચે પાડી દઈશ. તું અને તારું સમગ્ર સૈન્ય તથા તારી સાથેની સર્વ પ્રજાઓ ઇઝરાયલના પર્વતો પર સંહાર પામશો. હું તમારા મૃતદેહો શિકારી પક્ષીઓને અને જંગલના પ્રાણીઓને ભક્ષ તરીકે આપી દઈશ. તમારા મૃતદેહ ખુલ્લા મેદાનમાં રઝળશે. આ હું, પ્રભુ પરમેશ્વર કહું છું. હું માગોગ ઉપર અને સમુદ્રકાંઠે નિશ્ર્વિંત થઈને રહેતા લોકો પર અગ્નિ વરસાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. હું મારા ઇઝરાયલી લોકોને મારું પવિત્ર નામ જણાવીશ, અને હું ફરી કદી મારા પવિત્ર નામને કલંક લાગવા દઈશ નહિ. ત્યારે બધી પ્રજાઓ જાણશે કે હું પ્રભુ, ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું.” પ્રભુ પરમેશ્વર કહે છે: “આ બધું બનશે જ. જે દિવસ વિષે મેં કહ્યું છે તે જરૂર આવશે. ઇઝરાયલનાં શહેરોમાં વસનારાઓ બહાર નીકળશે. તેઓ નાની મોટી ઢાલો, ધનુષ્ય, તીર, ભાલા અને બરછીને બાળશે. તે સાત વરસ સુધી ચાલશે. તેઓ બળતણનાં લાકડાં વીણવા સીમમાં જશે નહિ, કે લાકડાં માટે વનનાં વૃક્ષો કાપશે નહિ. તેઓ તો શત્રુઓએ ફેંકી દીધેલાં યુદ્ધશસ્ત્રો જ બાળશે. તેમને લૂંટનારાઓને તેઓ લૂંટશે અને તેમની ધનસંપત્તિ પડાવી જનારની ધનસંપત્તિ તેઓ પડાવી લેશે.” આ તો પ્રભુ પરમેશ્વર પોતે કહે છે. પ્રભુએ કહ્યું: “એ બધું બનશે તે દિવસે હું ગોગને ઇઝરાયલ દેશમાં મૃતસમુદ્રને પૂર્વે આવેલ હામોન-ગોગની ખીણ કબ્રસ્તાન તરીકે આપીશ. ત્યાં ગોગ અને તેનું આખું લશ્કર દફનાવાશે, લોકો એ ખીણને ‘હામોન-ગોગ’ની એટલે, ગોગના સૈન્યની ખીણ તરીકે ઓળખશે. એ બધા મૃતદેહો દાટી દેતાં ને ભૂમિને સ્વચ્છ કરતાં ઇઝરાયલીઓને સાત મહિના લાગશે. દેશના સર્વ નિવાસીઓ તેમને દફનાવવામાં સહાય કરશે, અને તેથી મારા વિજયના દિવસે તેમનું સન્માન કરાશે. હું પ્રભુ પરમેશ્વર પોતે એ કહું છું. સાત મહિના પૂરા થયા પછી પણ ભૂમિ પર રહી ગયેલા મૃતદેહો શોધી કાઢીને તેમને દફનાવવા માટે માણસોને પસંદ કરવામાં આવશે. તેઓ દેશમાં ફરતા રહી સતત એ કામ કરશે અને દેશને શુધ કરશે. તેઓ દેશમાં એક સ્થળેથી બીજે સ્થળે જશે અને જ્યાં જ્યાં કોઈ માનવીનું હાડકું જોશે ત્યાં ત્યાં તેની પાસે એક ચિહ્ન મૂકશે, જેથી કબર ખોદનારા આવીને તેને હામોન-ગોગની ખીણમાં દફનાવે. ત્યાં સૈન્યના સમુદાય પરથી એક નગરનું નામ પણ “હામોના” (એટલે જનસમુદાય)પાડવામાં આવશે અને આમ તેઓ દેશને સ્વચ્છ કરશે.” પ્રભુ પરમેશ્વરે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું દરેક પ્રકારના પક્ષીને અને દરેક જંગલી પ્રાણીને કહે: આવો, ચારે દિશાથી ટોળે વળીને આવો. તમારે માટે હું પ્રભુ, ઇઝરાયલના પર્વતો પર એક મહાન બલિદાન તૈયાર કરું છું. તેની મિજબાનીમાં આવો, માંસ ખાઓ અને રક્ત પીઓ. સૈનિકોનું માંસ ખાઓ અને પૃથ્વીના શાસકોનું રક્ત પીઓ. એ બધા તો બાશાન દેશના પુષ્ટ મેઢાં, ઘેટાં, બકરાં અને આખલા જેવા છે. હું તમારે માટે એક મોટું બલિદાન તૈયાર કરી રહ્યો છું. તેમાં તમે પૂરેપૂરા ધરાઈ જાઓ ત્યાં સુધી ચરબીદાર માંસ ખાશો અને મસ્ત થાઓ ત્યાં સુધી રક્ત પીશો. મારા ભોજનની મેજ પરથી તમે ઘોડા અને ઘોડેસ્વારો, શૂરવીરો અને યોદ્ધાઓને ખાઈને તૃપ્ત થશો.” પ્રભુ પરમેશ્વર પોતે એમ કહે છે. પ્રભુએ કહ્યું: “હું સર્વ દેશો સમક્ષ મારું ગૌરવ પ્રગટ કરીશ, અને સર્વ દેશો મેં કરેલી ન્યાયપૂર્ણ સજા અને મેં વાપરેલું બાહુબળ જોશે. તે દિવસથી ઇઝરાયલીઓ જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું. વળી, બધી પ્રજાઓ જાણશે કે ઇઝરાયલીઓએ મારી વિરુદ્ધ પાપ કર્યાં હતાં માટે તેઓ દેશનિકાલ થયા હતા. તેઓ મને બેવફા નીવડયા તેથી હું તેમનાથી વિમુખ થયો હતો અને મેં તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપી દીધા હતા અને તેઓ તલવારથી માર્યા ગયા હતા. મેં તેમની અશુદ્ધતા અને અપરાધોને અનુરૂપ વર્તાવ રાખ્યો હતો અને તેમનાથી વિમુખ થયો હતો.” પણ પ્રભુ પરમેશ્વર કહે છે કે, “હવે હું યાકોબના વંશજો એટલે કે ઇઝરાયલના લોકો પ્રત્યે દયા દર્શાવીશ અને તેમની દુર્દશા પલટી નાખીને તેમને પુન: આબાદ બનાવીશ. હું મારા પવિત્ર નામનું સન્માન જાળવીશ. જ્યારે તેઓ ફરીથી પોતાના દેશમાં નિરાંત અને નિર્ભયતામાં વસતા હશે અને તેમને ડરાવનાર કોઈ નહિ હોય, ત્યારે મને બેવફા નીવડીને તેઓ કેવા અપમાનિત થયા હતા તે વાતને વીસરી જશે. હું મારા લોકોને તેમના શત્રુઓના દેશોમાંથી પાછા લાવીશ ત્યારે હું તેમના દ્વારા બધી પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતાનું સમર્થન કરીશ. ત્યારે મારા લોકો જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું. કારણ, મેં જ તેમને બીજી પ્રજાઓમાં દેશનિકાલ કર્યા હતા અને હું જ તેમને એકત્ર કરી પોતાના દેશમાં પાછા લાવનાર છું. હું તેઓમાંના એક પણ માણસને અન્ય દેશોમાં રહેવા દેનાર નથી. હું ઇઝરાયલના લોકો પર મારો આત્મા રેડીશ અને તેમનાથી કદી વિમુખ થઈશ નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.” અમારો દેશનિકાલ થયાના પચીસમા વર્ષે અને યરૂશાલેમના પતનના ચૌદમા વર્ષના આરંભમાં, માસના દસમે દિવસે પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો કબજો લીધો, અને તે મને દૈવી દર્શનમાં ઇઝરાયલ દેશમાં લઈ ગયા અને મને એક ઊંચા પહાડ પર મૂક્યો. તે પહાડ પર દક્ષિણ તરફ જાણે કોઈ નગર હોય તેમ મકાનોનો સમૂહ દેખાતો હતો. તે મને વધુ પાસે લઈ ગયા, અને ત્યાં દરવાજા પાસે એક માણસ ઊભો હતો. તે તામ્રવર્ણનો હતો. તેના હાથમાં અળસીરેસામાંથી વણેલી દોરી અને માપવાનો ગજ હતાં. તેણે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, ધ્યનથી જો અને કાન દઈને સાંભળ. હું તને જે કંઈ બતાવું તે સર્વ પર બરાબર ચિત્ત લગાડ. કારણ, તું જે જુએ તે બધું ઇઝરાયલીઓને કહી બતાવે તે માટે તને અહીં લાવવામાં આવ્યો છે.” મેં જોયું તો એક મંદિર હતું; જેની ચારે તરફ કોટ હતો. પેલા માણસના હાથમાં માપવા માટેનો જે ગજ હતો તે એક હાથ વત્તા એક મૂઠ બરાબર એક હાથ, એવા છ હાથ એટલે કે, ત્રણ મીટર લાંબો હતો. તે જ ગજ વડે તેણે કોટને માપ્યો. કોટ ત્રણ મીટર ઊંચો અને ત્રણ મીટર પહોળો હતો. ત્યાર પછી તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેનાં પગથિયાં ચડયો. તેણે દરવાજાની બારસાખની દીવાલનું માપ લીધું, તો તેની જાડાઈ ત્રણ મીટર હતી. દરવાજાના પ્રવેશમાર્ગની બંને બાજુએ દરવાનોની ત્રણ ત્રણ ઓરડીઓ હતી. દરેક ઓરડી ત્રણ મીટર લાંબી અને ત્રણ મીટર પહોળી હતી. ઓરડીઓ વચ્ચેની દીવાલો અઢી મીટર જાડી હતી. એ ઓરડીઓથી આગળ મંદિર સામે આવેલા મોટા ખંડ તરફના દરવાજાની બારસાખની દીવાલની જાડાઈ ત્રણ મીટર હતી. તેણે એ ખંડનું પણ માપ લીધું; તો તે ચાર મીટર થયું. એ ખંડ મંદિરની સૌથી નજીક આવેલા દરવાજાને છેડે આવેલો હતો અને તેના છેડાની દીવાલ એક મીટર જાડાઈની હતી. *** દરવાજાના પ્રવેશ- માર્ગની બંને તરફ દરવાનોની ત્રણ ત્રણ ઓરડીઓ હતી. તે બધી એક માપની હતી, અને તેમની વચ્ચેની દીવાલો પણ એક્સરખી જાડી હતી. પછી તે માણસે દરવાજાની પહોળાઈ માપી. તે સાડા છ મીટર પહોળો હતો. એ દરવાજાની લંબાઈ પાંચ મીટર હતી. દરવાનોની દરેક ઓરડી આગળ એક નીચી ભીંત હતી; જે પચાસ સેન્ટીમીટર ઊંચી અને પચાસ સેન્ટીમીટર જાડી હતી. એ બધી ઓરડીઓમાંથી પ્રત્યેક ઓરડી ત્રણ મીટર લાંબી ને ત્રણ મીટર પહોળી હતી. એ પછી તેણે એક ઓરડીની પાછળની દીવાલથી સામેની ઓરડીની પાછળની દીવાલ સુધીનું માપ લીધું તો એ સાડાબાર મીટર થયું. પ્રવેશમાર્ગને છેડે આવેલા ખંડમાંથી ચોકમાં જવાતું હતું. તેણે તે છેડે આવેલા ખંડનું માપ લીધું તો તે દસ મીટર પહોળો હતો. બાહ્ય દરવાજાથી તે છેડે આવેલા ખંડની બહારની બાજુ સુધીની લંબાઈ પચીસ મીટર હતી. બધી જ ઓરડીઓની બહારની દીવાલોમાં તથા ઓરડીઓ વચ્ચેની અંદરની ભીંતોમાં નાની નાની જાળીવાળી બારીઓ હતી. એ પ્રવેશમાર્ગમાં અંદર પડતી ભીંતો પર ખજૂરીઓ કોતરેલી હતી. તે માણસ મને દરવાજામાં થઈને મંદિરની ચારે તરફ આવેલા બહારના ચોકમાં લઈ ગયો. તેની બહારની દીવાલને અડોઅડ ત્રીસ ઓરડીઓ બાંધેલી હતી. પથ્થરની ફરસબંદી આખા ચોકની ચારે તરફ હતી. આ બહારનો ચોક મંદિરની અંદરના ચોક કરતાં થોડો નીચાણમાં હતો. થોડી ઊંચાઈએ એક દરવાજો હતો, જેમાં થઈને મંદિરના અંદરના ચોકમાં જવાતું હતું. પેલા માણસે બે દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તો તે પચાસ મીટર થયું. ત્યાર પછી તેણે બહારના ચોકમાં પ્રવેશવાના ઉત્તર દિશા તરફના બાહ્ય દરવાજાનું માપ લીધું. તેના પ્રવેશમાર્ગની બંને તરફની દરવાનોની ત્રણ ત્રણ ઓરડીઓ, તેમની વચ્ચેની દીવાલો અને મોટો ખંડ એ બધાં પૂર્વના બાહ્ય દરવાજા આગળ હતાં તેવાં જ હતાં. એ દરવાજાના વિસ્તારની કુલ લંબાઈ પચીસ મીટર અને તેની પહોળાઈ સાડાબાર મીટર હતી. મોટો ખંડ, બારીઓ અને તે પર કોતરેલાં ખજૂરીઓનાં વૃક્ષો પણ પૂર્વમુખી બાહ્ય દરવાજા જેવાં જ હતાં. દરવાજા પર ચડવા માટે સાત પગથિયાં હતાં, અને તેને છેડે મોટો ખંડ ચોકની સામે આવેલો હતો. આ ઉત્તરમુખી દરવાજા સામે બહારના ચોકની એક બાજુએ અંદરના ચોકમાં જવા માટે પૂર્વમુખી આંતરિક દરવાજા જેવો દરવાજો હતો. પેલા માણસે એ બે ઉત્તરમુખી દરવાજા વચ્ચેના અંતરનું માપ લીધું તો તે પચાસ મીટર થયું. ત્યાર પછી તે માણસ મને દક્ષિણ તરફ લઇ ગયો અને ત્યાં અમે બીજો એક દરવાજો જોયો. તેણે તેનું માપ લીધું તો તે બીજા બાહ્ય દરવાજાઓ જેટલું જ થયું. અન્ય બાહ્ય દરવાજાઓની જેમ આ દરવાજાની ઓરડીઓ પણ બારીઓવાળી હતી. દરવાજાના વિસ્તારની કુલ લંબાઈ પચીસ મીટર હતી અને પહોળાઈ સાડાબાર મીટર હતી. દક્ષિણને દરવાજે ચડવા માટે પણ સાત પગથિયાં હતાં, અને તેનો મોટો ખંડ પણ બહારના ચોકની સામે જ હતો. એના પ્રવેશમાર્ગમાં અંદર પડતી ભીંતો ઉપર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં. અહીં પણ અંદરના ચોકમાં દોરી જતો દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે પચાસ મીટર થયું. ત્યાર પછી તે માણસ મને દક્ષિણને દરવાજેથી અંદરના ચોકમાં લાવ્યો. તેણે તે દરવાજાનું માપ લીધું તો તે બીજા દરવાજાઓ જેટલું જ હતું. એની દરવાનો માટેની ઓરડીઓ, મોટો ખંડ અને અંદરની ભીંતો અન્ય દરવાજાઓ જેવાં જ હતાં. આ દરવાજાની ઓરડીઓ પણ બારીઓવાળી હતી. એ દરવાજાના વિસ્તારની કુલ લંબાઇ પચીસ મીટર અને પહોળાઈ સાડા બાર મીટર હતી. તેનો મોટો ખંડ પણ બહારના ચોકની સામે આવેલો હતો. એના પ્રવેશમાર્ગમાં અંદર તરફની દીવાલો પર ખજૂરીઓ કોતરેલી હતી. એ દરવાજા પર ચડવા માટે આઠ પગથિયાં હતાં. પછી તે મને અંદરના ચોકમાં પૂર્વ તરફ લાવ્યો. તેણે તે દરવાજાનું માપ લીધું તો તે અન્ય દરવાજા જેટલું જ થયું. તેની દરવાનો માટેની ઓરડીઓ, તેનો મોટો ખંડ અને તેની અંદરની દીવાલો અન્ય દરવાજાનાં જેવાં જ હતાં. આ દરવાજાની ઓરડીઓ પણ બારીઓવાળી હતી. આ દરવાજાના વિસ્તારની કુલ લંબાઈ પચીસ મીટર હતી અને પહોળાઇ સાડાબાર મીટર હતી. તેનો મોટો ખંડ પણ બહારના ચોકની સામે હતો. તેના પ્રવેશમાર્ગમાં અંદર તરફની દીવાલો પર ખજૂરીઓ કોતરેલી હતી. તે દરવાજા પર ચડવા માટે આઠ પગથિયાં હતાં. પછી તે મને ઉત્તરને દરવાજે લઈ ગયો. તેણે તેનું માપ લીધું તો તે અન્ય દરવાજાઓ જેટલું જ થયું. બીજા દરવાજાઓની જેમ તેને પણ દરવાનો માટેની ઓરડીઓ, અંદરની દીવાલો, એક મોટો ખંડ અને ચારે તરફ બારીઓ હતી. એ વિસ્તારની કુલ લંબાઈ પચીસ મીટર અને પહોળાઈ સાડાબાર મીટર હતી. મોટો ખંડ બહારના ચોકની સામેની દિશામાં આવેલો હતો. તેના પ્રવેશમાર્ગમાં અંદર તરફની દીવાલો પર ખજૂરીઓ કોતરેલી હતી. એ દરવાજે ચડવા માટે આઠ પગથિયાં હતાં. બહારના ચોકમાં અંદરના દરવાજાને અડોઅડ એક નાની ઓરડી હતી. તેમાં થઇને દરવાજાના પ્રવેશમાર્ગમાં જવાતું હતું. અહીં દહનબલિ માટેનાં પશુઓના મૃતદેહો ધોવામાં આવતા હતા. મોટા ખંડમાં ઓરડાની બે બાજુએ બે એમ ચાર મેજ હતાં. તેમના ઉપર દહનબલિ, પ્રાયશ્ર્વિતબલિ અથવા દોષ નિવારણબલિ માટેનાં પશુઓનો વધ કરવામાં આવતો હતો. ઓરડાની બહાર પણ ઉત્તરના આંતરિક દરવાજાની બંને બાજુએ બબ્બે એમ ચાર મેજ હતાં. આમ, બધાં મળીને આઠ મેજ હતાં, જેમના ઉપર બલિદાન માટેના પશુઓ વધેરવામાં આવતા. ચાર મેજ ઓરડામાં હતાં અને ચાર બહારના ચોકમાં હતા. દહનબલિ માટેનાં પશુઓને તૈયાર કરવા માટે વપરાતા ચાર મેજ ખોદી કાઢેલા પથ્થરનાં હતાં. તે પચાસ સેન્ટીમીટર ઊંચા અને મથાળે ચારે બાજુ પંચોતેર સેન્ટીમીટર માપના ચોરસ આકારના હતાં. આ મેજો ઉપર દહનબલિ અને અન્ય બલિ માટેનાં પશુઓને વધેરવાનાં બધાં ઓજારો મુક્તાં હતાં. એ મેજની ધારે ધારે ચારેતરફ પંચોતેર મીલીમીટર પહોળી પાળી બનાવેલી હતી. બલિ તરીકે અર્પવાનું બધું માંસ એ મેજો ઉપર મૂકવામાં આવતું. પછી તે મને અંદરના ચોકમાં લઈ ગયો. ત્યાં અંદરના ચોકમાં ગાયકો માટે બે ખંડો હતા. એક ઉત્તરના દરવાજા પાસે હતો, અને તેનું મોં દક્ષિણ તરફ હતું. બીજો ખંડ દક્ષિણના દરવાજા પાસે હતો, અને તેનું મોં ઉત્તર તરફ હતું. તે માણસે મને કહ્યું કે, આ દક્ષિણ દિશા તરફના મુખવાળો ખંડ તો મંદિરના સેવાકાર્ય કરતા યજ્ઞકારો માટે છે, અને ઉત્તર દિશા તરફના મુખવાળો ખંડ વેદીની જવાબદારી સંભાળતા યજ્ઞકારો માટે છે. તેઓ સાદોકવંશી યજ્ઞકારો છે. લેવીના વંશજોમાંથી પ્રભુની સેવા કરવા માટે માત્ર તેઓ જ પ્રભુની હજૂરમાં આવી શકે છે. તે માણસે અંદરના ચોકનું માપ લીધું તો તે પચાસ મીટર લાંબું4 અને પચાસ મીટર પહોળું હતું. વેદી મંદિરની સામે હતી. પછી તે મને મંદિરના પ્રવેશદ્વારના પ્રવેશમાર્ગમાં લઈ ગયો. તેણે તે પ્રવેશમાર્ગનું માપ લીધું તો તે અઢી મીટર લાંબો અને સાત મીટર પહોળો હતો. પ્રવેશદ્વારની બંને તરફની દીવાલો દોઢ મીટર જાડી હતી. પ્રવેશદ્વારના ખંડની પહોળાઈ દસ મીટર હતી અને લંબાઈ છ મીટર હતી. તેના પર જવા માટે દસ પગથિયાં હતાં. મંદિરના પ્રવેશદ્વારની બંને તરફ એક એક સ્તંભ હતો. પછી તે મને મંદિરની વચ્ચેના પવિત્રસ્થાનમાં લાવ્યો અને તેણે તેના પ્રવેશદ્વારની બારસાખોનું માપ લીધું, બંને બાજુએ તેની ઊંડાઈ ત્રણ ત્રણ મીટર હતી. દરવાજાની બારસાખોની દીવાલની પહોળાઈ પાંચ મીટર હતી. પ્રવેશદ્વારની બંને બાજુની દીવાલો અઢી મીટર જાડી હતી. તેણે પવિત્રસ્થાનનું માપ લીધું તો તેની લંબાઈ વીસ મીટર અને પહોળાઈ દસ મીટર થઈ. પછી તે મંદિરના અંતર્ગૃહમાં ગયો. તેણે તેના પ્રવેશદ્વારનું માપ લીધું તો તેની લંબાઈ એક મીટર અને પહોળાઈ ત્રણ મીટર હતી. તેની બંને તરફની દીવાલો સાડા ત્રણ મીટર જાડાઈની હતી. તેણે તે અંતર્ગૃહનું માપ લીધું તો તેની લંબાઈ દસ મીટર અને તેની પહોળાઈ પણ દસ મીટર હતી. તેણે મને કહ્યું, “આ તો પરમપવિત્ર સ્થાન છે.” પછી તેણે મંદિરની દીવાલનું માપ લીધું તો તેની જાડાઈ ત્રણ મીટર હતી. મંદિરની આસપાસ દીવાલને અડીને આવેલી ઓરડીઓની પહોળાઈ બે મીટર હતી. એ ઓરડીઓ ત્રણ માળની હતી. દરેક માળે ત્રીસ ઓરડીઓ હતી. મંદિરની દીવાલની જાડાઈ ઉપર જતાં દરેક માળે ઓછી થતી હતી. તેથી દીવાલની અંદર દરેક માળે આ ઓરડીઓના મોભને આધાર આપવા માટે ખાંચા હતા, તેથી એ ઓરડીઓના મોભને ખાંચોનો ટેકો હતો, અને મંદિરની આખી દીવાલમાં કાણાં પાડીને તેમને ટેકો આપવો પડતો નહિ. એને લીધે પ્રત્યેક ઉપલા માળની ઓરડીઓનો વિસ્તાર વધતો જતો હતો. મંદિરની આસપાસની દીવાલ એ રીતે ઓછી જાડાઈની થતી જતી હોવાથી જેમ કોઈ ઉપલા માળે જાય તેમ ઓરડીઓ વિસ્તૃત થતી જતી હતી. છેક ભોંયતળિયેથી વચલા માળે અને પછી ઉપલા માળે જવા બે પહોળી સીડીઓ હતી. મેં જોયું કે મંદિરની ચારે તરફ અઢી મીટર પહોળાઈનો ઊંચો ઓટલો હતો. તે આ ઓરડીઓ માટે પાયા તરીકેનું કામ કરતો. તેની ઊંચાઈ ત્રણ મીટર હતી. આ ઓરડીઓની બહારની દીવાલની જાડાઈ અઢી મીટર હતી. મંદિરની આસપાસનો ઓટલો અને યજ્ઞકારો જે ઓરડીઓ વાપરતા તેમની વચ્ચે દસ મીટર પહોળી ખુલ્લી જગ્યા હતી. એ ખુલ્લી જગ્યામાં ઓરડીઓનાં બારણાં પડતાં હતાં. ઉત્તર તરફની ઓરડીઓનું બારણું ઉત્તર તરફ અને દક્ષિણ તરફની ઓરડીઓનું બારણું દક્ષિણ તરફ હતું. મંદિરની ચોતરફ આવેલા ઓટલાની પહોળાઈ અઢી મીટર હતી. મંદિરની પશ્ર્વિમ બાજુએ એક મકાન હતું, જે ખુલ્લી જગ્યાને છેડે હતું. તેની લંબાઇ પિસ્તાળીસ મીટર અને પહોળાઈ પાંત્રીસ મીટર હતી. તેની ચારે તરફની દીવાલો અઢી મીટર જાડી હતી. તે માણસે મંદિરની બહારની બાજુની માપણી કરી. તેની લંબાઈ પચાસ મીટર હતી. મંદિરની પાછલી તરફ તેનું મકાન, તેની દીવાલો અને બંને તરફની ખુલ્લી જગ્યાની લંબાઈ પણ પચાસ મીટર હતી. મંદિરની પૂર્વ તરફ મંદિરના અગ્રભાગની ખુલ્લી જગ્યા સહિતની પહોળાઈ પચાસ મીટર હતી. પછી તેણે મંદિરની બંને બાજુઓ તેની ખુલ્લી જગ્યા અને ઓસરીઓ સહિતની લંબાઈ માપી તો તે પ્રત્યેક બાજુએ પચાસ મીટર થઈ. પરમપવિત્ર સ્થાન, ચોકના ખંડો, બંધ કરવાના દરવાજાની બારસાખો અને બારીઓ, તથા બારસાખોની સામે ત્રણે બાજુની ઓસરીઓ એ બધાં ભોંયતળિયાથી બારીઓ સુધી લાકડાથી મઢેલાં હતાં; બારીઓ તો બારીક જાળીવાળી હતી. મંદિરની બહારથી છેક અંદર સુધી ચારેબાજુની અંદરની તથા બહારની દીવાલો પર બારણાની ઉપર સુધી એ બારણા ઉપર માપ પ્રમાણે પાંખાળાં પ્રાણી કરુબો અને ખજૂરીઓ કોતરેલાં હતાં. બબ્બે કરુબોની વચમાં ખજૂરી કોતરેલી હતી. પ્રત્યેક કરુબને બે મુખ હતાં. *** એક બાજુની ખજૂરી તરફ માણસનું મુખ હતું અને બાજુની ખજૂરી તરફ સિંહનું મુખ હતું. મંદિરની સમગ્ર દીવાલ પર એ પ્રમાણેની કોતરણી હતી. ભોંયતળિયાથી તે બારણાના મથાળા સુધી એ પ્રમાણે કરુબો અને ખજૂરીઓ કોતરેલાં હતાં. પવિત્રસ્થાનની બારસાખો ચોરસ હતી અને તેની સામે લાકડાની વેદી જેવું કશુંક દેખાતું હતું. તે દોઢ મીટર ઊંચું અને એક મીટર લાંબું અને એક મીટર પહોળું હતું. એના ખૂણા, એનું તળિયું તથા તેની બાજુઓ એ બધું લાકડાનું હતું. તેણે મને કહ્યું, “આ તો પ્રભુની હજૂરમાં રખાયેલી મેજ છે.” મંદિરના પવિત્રસ્થાનને, મધ્ય- ભાગને અને પરમ પવિત્રસ્થાનને બેવડાં બારણાં હતાં. દરેક બારણાને બે કમાડ હતાં અને તે વચ્ચેથી ઊઘડે તેવાં હતાં. દીવાલની જેમ મંદિરનાં બારણાં પર પણ કરુબોની અને ખજૂરીઓની કોતરણી હતી. પ્રવેશમાર્ગની પાસેના ખંડના છત્ર પર ક્ષ્ટનું તોરણ હતું. બંધ બારીઓ પર અને પ્રવેશમાર્ગની પાસેના ખંડની બંને બાજુની બહારની દીવાલો પર, મંદિરની ઓરડીઓ અને છત્રો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં. પછી તે મને ઉત્તર તરફના બહારના ચોકમાં લઈ ગયો. તે મને મંદિરની ફરતેની ખુલ્લી જગ્યા અને ઉત્તરના બાંધકામની વચ્ચેની ઓરડીઓમાં લઈ આવ્યો. ઓરડીઓના આ મકાનની ઉત્તર તરફની લંબાઈ પચાસ મીટર અને તેની પહોળાઈ પણ પચાસ મીટર હતી. અંદરના ચોકમાં મંદિરને ફરતે આવેલી ખુલ્લી જગ્યાની દસ મીટરવાળી બાજુને અડીને બહારના ચોકની ફરસબંદીની સામે આવેલા ત્રણ માળમાં ઓરડીઓને એક ઉપર બીજો એમ ઝરુખા હતા. એ ઓરડીઓની સામે એક રસ્તો હતો જેની લંબાઈ પચાસ મીટર અને પહોળાઈ પાંચ મીટર હતી. ઓરડીઓનાં બારણાં ઉત્તર તરફ હતાં. ઉપલી ઓરડીઓ નીચેની ઓરડીઓ કરતાં સાંકડી હતી; કારણ, વચલી અને નીચલી ઓરડીઓની ઓસરીઓને લીધે તેમની ઉપરની ઓરડીનો ભાગ કપાઈ જતો હતો. ચોકમાંનાં અન્ય મકાનોની જેમ ત્રીજા માળની ઓરડીઓને થાંભલા નહોતા; તેથી છેક ઉપરની ઓરડીઓ વચલી અને નીચેની ઓરડીઓ કરતાં નાની હતી. ઓરડીઓની સામે તેમને સમાંતર બહારના ચોક તરફ એક દીવાલ હતી; જેની લંબાઈ પચીસ મીટર હતી. કારણ, બહારના ચોક તરફની ઓરડીઓની લંબાઈ પચીસ મીટર હતી; જ્યારે મંદિરની સામેની તેવી ઓરડીઓની લંબાઈ પચાસ મીટર હતી. બહારના ચોકમાંથી આ ઓરડીઓના વિસ્તારમાં પ્રવેશવાને ઓરડીઓની બંને દીવાલોની વચમાં નીચે થઈને જવાનું પ્રવેશદ્વાર હતું. વળી, મંદિરના ચોકની પૂર્વ તરફની દીવાલમાં પણ બીજો પ્રવેશમાર્ગ હતો. તે દક્ષિણની બહારની દીવાલ અને મંદિરના મકાનની વચ્ચે આવેલી ઓરડીઓના વિસ્તારની મોખરે હતો. એ ઓરડીઓ પણ લંબાઈ અને પહોળાઈ, તથા તેમના ઘાટ અને આયોજનમાં ઉત્તર તરફની ઓરડીઓ જેવી જ હતી. એમનાં બારણાં દક્ષિણ તરફનાં હતાં. તેમની વચ્ચેના રસ્તાનું પ્રવેશદ્વાર પૂર્વ તરફ હતું; અને ઓરડીઓના વિસ્તારમાં ત્યાંથી આવતું હતું. *** મકાનની દક્ષિણ બાજુએ પૂર્વને છેડે જ્યાં દીવાલ શરૂ થતી હતી ત્યાં એક પ્રવેશદ્વાર હતું. પછી તે માણસે મને કહ્યું: “આ બંને ઈમારતો પવિત્ર છે. તેમાં પ્રભુની સેવામાં જોડાયેલા યજ્ઞકારો સૌથી પવિત્ર અર્પણો ખાય છે. યજ્ઞકારો અને પવિત્ર ખંડોમાં સૌથી પવિત્ર વસ્તુઓ એટલે ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણ બલિ મૂકશે. મંદિરમાં દાખલ થયા પછી યજ્ઞકારો સીધા બહારના ચોકમાં જશે નહિ, અને જો તેમણે જવું હોય તો સેવાકાર્ય કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારીને તે ખંડોમાં મૂકી દેવાં, કારણ, તે વસ્ત્રો પવિત્ર છે. તેમણે સામાન્ય જનસમૂહ માટે નિયુક્ત થયેલા સ્થાનમાં બીજાં વસ્ત્રો પહેરીને જ જવું.” મંદિરના અંદરના ક્ષેત્રવિસ્તારને માપી રહ્યા પછી તે મને પૂર્વના દરવાજાથી બહાર લઈ ગયો અને પછી તેણે મંદિરની ચારે તરફના બહારના ક્ષેત્રની માપણી શરૂ કરી. તેણે માપવાના ગજ વડે પૂર્વની બાજુ માપી તો તેનું માપ બસો પચાસ મીટર થયું. તેણે ઉત્તરની બાજુ માપી તો તે પણ બસોપચાસ મીટર થઈ. તેણે દક્ષિણની બાજુ માપી તો તે પણ બસો પચાસ મીટર થઈ. તેણે પશ્ર્વિમની બાજુ માપી તો તે પણ બસો પચાસ મીટર થઈ. આમ તેણે દીવાલથી રક્ષાયેલા ચોરસ ભાગનું માપ લીધું તો દરેક બાજુએ બસો પચાસ મીટર થયું. એ દીવાલ મંદિરના પવિત્ર ભાગને સામાન્ય ભાગથી જુદી પાડતી હતી. પછી તે મને પૂર્વમુખી દરવાજા પાસે લઇ ગયો. એવામાં ત્યાં પૂર્વ દિશામાંથી ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ આવતું દેખાયું. ઈશ્વરના આગમનનો અવાજ મહાસાગરનાં મોજાંની ગર્જના જેવો હતો અને પૃથ્વી તેમના ગૌરવથી પ્રકાશિત થઈ રહી. યરુશાલેમનો વિનાશ કરવા ઈશ્વર આવ્યા હતા ત્યારે જે દર્શન મને થયું હતું તેવું એ દર્શન હતું. તેવું જ દર્શન મેં કબાર નદીને કાંઠે પણ નિહાળ્યું હતું. મેં ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા. પ્રભુના ગૌરવે પૂર્વમુખી દરવાજામાં થઈને મંદિરમાં પ્રવેશ કર્યો. ઈશ્વરના આત્માએ મને ઊંચકીને અંદરના ચોકમાં પહોંચાડી દીધો. ત્યાં મેં જોયું તો મંદિર પ્રભુના ગૌરવથી ભરાઇ ગયું હતું. તે માણસ મારી પાસે ઊભો હતો. ત્યાં મંદિરમાંથી મને કોઈની વાણી સંભળાઈ. તેણે કહ્યું: “હે મનુષ્યપુત્ર, આ મારા રાજ્યાસનનું સ્થાન છે, આ મારું પાયાસન છે. હું અહીં ઇઝરાયલી લોકો મધ્યે સદાસર્વદા નિવાસ કરીશ, અને તેમના પર સદાસર્વદા શાસન કરીશ. હવે પછી ઇઝરાયલી લોકો કે તેમના રાજાઓ કદી પણ અન્ય દેવોની પૂજા કરીને મારા પવિત્ર નામને કલંક લગાડશે નહિ. તેઓ તેમના રાજાઓના મૃતદેહો પર અહીં સ્મારક રચી ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહિ. એ રાજાઓએ મારા ઉંબર સામે તેમના ઉંબર અને મારી બારસાખ સામે તેમના મહેલની બારસાખ ઊભાં કર્યાં હતાં. જેથી મારી અને તેમની વચ્ચે માત્ર એક દીવાલ જ હતી. તેમણે પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો વડે મારા પવિત્ર નામને કલંક લગાડયું હતું અને તેથી મારા રોષમાં મેં તેમનો સંહાર કર્યો હતો. હવે ઇઝરાયલીઓએ બીજા દેવોની પૂજા કરવાનું તજી દેવું જોઈએ; અને તેમના રાજાઓના મૃતદેહો પરનાં સ્મારક મારી આગળથી દૂર કરવાં જોઈએ. જો તેઓ તેમ કરશે તો હું સદા તેઓ મધ્યે વસીશ.” પ્રભુએ કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને મંદિર દેખાડ અને તેમને તેના નકશાનો અભ્યાસ કરવા દે; જેથી તેઓ તેમના દુરાચાર માટે લજ્જિત થાય. જો તેઓ પોતાનાં કૃત્યો માટે લજવાતા હોય તો તેમને મંદિરનો નકશો સમજાવ. મંદિરનું આયોજન, પ્રવેશમાર્ગો અને બહાર જવાના માર્ગો, એનો આકાર, બધી જાતની વ્યવસ્થા તથા તેના નિયમો અને ધારાધોરણો જણાવ. તેમને માટે તું આ બધી વાતો લખી લે; જેથી તેઓ બધી વ્યવસ્થા જોઈ શકે અને બધા નિયમો પાળી શકે. મંદિરનો નિયમ આ છે: પહાડના શિખર પરના મંદિરની ચારે તરફનો બધો ભૂમિવિસ્તાર અતિ પવિત્ર છે.” વેદીનું માપ, એક હાથ વત્તા એક મૂઠ બરાબર એક હાથ મુજબ ગણતા આ પ્રમાણે છે: વેદીના પાયાની ચારે તરફ અડધો મીટર ઊંડી અને અડધો મીટર પહોળી નીક હતી. એની બહારની બાજુએ પા મીટર ઊંચી કોર પાસેની કિનારી હતી. વેદીનો સૌથી નીચેનો ભાગ, જમીનના તળિયાથી નીચેના પાયા સુધી એક મીટર ઊંચો હતો. એ પછીનો ભાગ, નાના પાયાથી તે મોટા પાયા સુધી ચારે તરફ પચાસ સેન્ટીમીટર અંદર લીધેલો હતો અને તે બે મીટર ઊંચો હતો. તેના પછીનો ભાગ ચારે તરફ પચાસ સેન્ટીમીટર અંદર લીધેલો હતો. વેદીના મથાળાનો ભાગ, જેના ઉપર બલિ ચડાવાતો તે બે મીટર ઊંચો હતો. વેદીના મથાળાની ઉપરની બાજુએ ચાર શિંગડાં હતાં. તે મથાળાના બીજા ભાગ કરતાં ઊંચાં હતાં. વેદીનું મથાળું દરેક બાજુએ છ મીટર લંબાઈનું એટલે કે સમચોરસ હતું. વચ્ચેનો ભાગ પણ સમચોરસ હતો એટલે કે તે દરેક બાજુએ સાત મીટરનો હતો. એની આજુબાજુની ફરતી કિનારી પચીસ સેન્ટીમીટર ઊંચી હતી. નીક પચાસ સેન્ટીમીટર પહોળી હતી. વેદી પર જવાના પગથિયાં પૂર્વ દિશામાં હતાં. પ્રભુ પરમેશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને કહું તે સાંભળ. જ્યારે વેદી બાંધવામાં આવે ત્યારે તેના ઉપર દહનબલિ ચડાવવા અને તેની પ્રતિષ્ઠા કરવા માટે બલિદાનના રક્તનો છંટકાવ કરવાનો આ નિયમ છે. સાદોકના વંશના લેવી યજ્ઞકારો જ મારી સેવા કરવા મારી હજૂરમાં આવે. આ મારો, એટલે પ્રભુ પરમેશ્વરનો આદેશ છે. પ્રાયશ્ર્વિત માટેના બલિ તરીકે ચડાવવા માટે તારે તેમને એક જુવાન આખલો આપવો. તારે તેના રક્તમાંથી થોડુંક લઈને વેદીના મથાળાનાં ચારે શિંગો પર અને વેદીના મધ્યભાગના ચારે ખૂણા પર અને ચારે તરફની ફરતી કિનારી પર લગાડવું. આ રીતે તારે વેદીને પવિત્ર કરીને તેને માટે પ્રાયશ્ર્વિત કરવું. ત્યાર પછી પ્રાયશ્ર્વિતબલિ માટેના જુવાન આખલાને લેવો અને તેને પવિત્રસ્થાનથી બહાર, મંદિરના નિર્ધારિત સ્થળે બાળવો. બીજે દિવસે તારે ખોડખાંપણ વગરનો એક બકરો પ્રાયશ્ર્વિત માટેના બલિ તરીકે ચડાવવો અને અગાઉ જેમ આખલાના રક્તથી વેદીને પવિત્ર કરી હતી તેમ બકરાના રક્ત વડે વેદીને પવિત્ર કરવી. વેદીને શુદ્ધ કર્યા પછી તારે ખોડખાંપણ વગરનો એક જુવાન આખલો અને ખોડખાંપણ વગરનો એક ઘેટો ચડાવવા. તારે તેમને મારી આગળ લાવવા. યજ્ઞકારો તેમના ઉપર મીઠું ભભરાવે અને તેમને દહનબલિના રૂપમાં પ્રભુને અર્પિત કરે. સાત દિવસ સુધી પ્રતિદિન પ્રાયશ્ર્વિત માટેના બલિ તરીકે એક બકરો, એક વાછરડો અને એક ઘેટો ચડાવવા. તેઓ સર્વ ખોડખાંપણ વગરના હોવા જોઈએ. સાત દિવસ સુધી યજ્ઞકારો વેદીને પવિત્ર કરવા માટે પ્રાયશ્ર્વિત માટેના બલિ ચડાવે. એ રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે. જ્યારે એ સાત દિવસો પૂરા થાય ત્યારે એટલે કે, આઠમા દિવસથી યજ્ઞકારો વેદી પર લોકોનાં દહનબલિ અને સંગતબલિ ચડાવવાનું શરૂ કરે, એટલે, હું તમારો અંગીકાર કરીશ.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. તે માણસ મને મંદિરની બહારના પૂર્વમુખી દરવાજા પાસે પાછો લઈ ગયો. તે બંધ હતો. પ્રભુએ મને કહ્યું: “આ દરવાજો બંધ રહેશે. એને કદી ઉઘાડવામાં ન આવે. કોઈ માણસે તેમાં થઈને મંદિરમાં પ્રવેશ કરવો નહિ. કારણ, મેં, ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરે તેમાં થઈને મંદિરમાં પ્રવેશ કર્યો છે. એ માટે તેને બંધ જ રાખવો. માત્ર રાજર્ક્તા પ્રભુની સમક્ષ રોટલી ખાવા ત્યાં બેસી શકે. તેણે દરવાજાના પ્રવેશમાર્ગે દાખલ થવું અને એ જ માર્ગે પાછા જવું.” પછી તે મને ઉત્તરને દરવાજેથી મંદિરની આગળ લાવ્યો. મેં જોયું તો પ્રભુનું મંદિર પ્રભુના ગૌરવથી ભરાઇ ગયું હતું. મેં ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા. ત્યારે પ્રભુએ મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું જે કંઈ જુએ અને સાંભળે તે પ્રત્યે લક્ષ આપ. હું તને મંદિરના નિયમો અને ધર્મવિધિઓ જણાવું છું. કઈ કઈ વ્યક્તિઓ મંદિરમાં આવજા કરી શકે અને કઈ કઈ વ્યક્તિઓ માટે મંદિરમાં આવજા કરવાની મનાઈ છે તે અંગે તું બરાબર ધ્યાન આપ. “તું ઇઝરાયલના એ બંડખોર લોકોને જણાવ કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: હે ઇઝરાયલીઓ, હવે તમારાં ઘૃણાસ્પદ કાર્યો બંધ કરો. મને રોટલી, બલિની ચરબી અને રક્ત ચડાવાતાં હોય ત્યારે તમે મારી આજ્ઞા ન પાળતાં, તન અને મનથી બેસુન્‍નત એવા પરપ્રજાજનોને મારા મંદિરમાં લાવીને તમે તેને અપવિત્ર કર્યું છે. તમે તમારાં ઘૃણાસ્પદ આચરણોથી મારા કરારનો ભંગ કર્યો છે. તમે પોતે મારા મંદિરમાં પવિત્ર સેવાકાર્ય કર્યાં નથી. પણ તમે પરપ્રજાજનોને એ કામોની જવાબદારી સોંપી છે. “હું, પ્રભુ પરમેશ્વર જાહેર કરું છું કે તન અને મનની સુન્‍નત ન કરાવી હોય તેવો કોઈ પરપ્રજાજન મારા મંદિરમાં પ્રવેશ કરે નહિ. ઇઝરાયલી લોકો સાથે વસતો કોઈ પરપ્રજાજન પણ મારા મંદિરમાં પ્રવેશ કરી શકશે નહિ.” પ્રભુએ મને કહ્યું: “બીજા ઇઝરાયલીઓ સાથે જે લેવીઓએ પણ મારો ત્યાગ કર્યો હતો અને મૂર્તિઓની ઉપાસના કરી હતી, તેની સજા તેમણે ભોગવવી પડશે. તેઓ મારા મંદિરના દ્વારપાલ થાય અને મંદિરમાં સેવાનાં પરચુરણ કામ કરે. લોકો દહનબલિ માટે અને અન્ય બલિ માટે જે પશુઓ લાવે તેને તેઓ કાપે અને લોકોની સેવા બજાવવા ફરજ પર ઊભા રહે. તેમણે ઇઝરાયલના લોકો માટે મૂર્તિઓની પૂજા કરી હતી અને એમ તેમને પાપમાં દોર્યા હતા, તેથી હું પ્રભુ પરમેશ્વર શપથપૂર્વક જણાવું છું કે એ રીતે તેમણે તેમની દુષ્ટતા માટે સજા ભોગવવી પડશે. તેઓ યજ્ઞકારો તરીકે મારી હજૂરમાં આવીને મારી સેવા કરી શકશે નહિ, તેઓ મારી કોઈ પવિત્ર વસ્તુઓ પાસે આવી શકશે નહિ કે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરી શકશે નહિ. તેમણે આચરેલાં ધિક્કારપાત્ર કૃત્યોની આ સજા છે. હું તેમને મંદિરના સામાન્ય સેવક કરે તેવાં સેવાકાર્યોની સોંપણી કરું છું.” પ્રભુ પરમેશ્વર કહે છે: “જ્યારે ઇઝરાયલીઓ મને છોડીને ભટકી ગયા હતા ત્યારે પણ સાદોકવંશના લેવી યજ્ઞકારોએ મંદિરમાં વિશ્વાસુપણે મારી સેવા બજાવવાનું ચાલુ રાખ્યું હતું. તેથી તેઓ જ મારી સેવા કરવા માટે મારી હજૂરમાં આવી શકશે, અને તેઓ મારી સમક્ષ પશુબલિનાં ચરબી અને રક્ત ચડાવી શકશે. માત્ર તેઓ જ મારા પવિત્રસ્થાનમાં પ્રવેશ કરશે, મારી યજ્ઞવેદી પાસે સેવાકાર્ય કરશે અને મંદિરની સેવાવિધિનું સંચાલન કરી શકશે. અંદરના ચોકના દરવાજામાં પ્રવેશ કર્યા પછી તેમણે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરવાં. તેઓ અંદરના ચોકમાં અથવા મંદિરમાં સેવા કરતી વખતે ઊનનાં વસ્ત્રો પહેરે નહિ. તેમણે માથે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રની પાઘડી બાંધવી, કમરે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રની ઈજારો પહેરવી. તેમણે પરસેવો થાય એવું કશું કમરે વીંટાળવું નહિ. તેઓ બહારના ચોકમાં લોકો પાસે જાય તે પહેલાં તેમણે મંદિરમાં સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારવાં અને તેમને પવિત્ર ઓરડીઓમાં મૂકી દેવાં. તેઓ બીજાં વસ્ત્રો પહેરીને લોકો પાસે જાય, નહિ તો તેમનાં પવિત્ર વસ્ત્રોનો સ્પર્શ થવાથી લોકો પર દૈવી કોપ આવી પડશે. “યજ્ઞકારોએ પોતાનાં માથાં મુંડાવવા નહિ, તેમજ લાંબા વાળ રાખવા નહિ. તેમણે પોતાના વાળ કપાવતા રહેવું. યજ્ઞકારોએ દ્રાક્ષાસવ પીને અંદરના ચોકમાં દાખલ થવું નહિ. યજ્ઞકારોએ વિધવાને કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ. તેમણે તો ઇઝરાયલી કુમારિકાઓ સાથે અથવા મૃત યજ્ઞકારોની વિધવાઓ સાથે લગ્ન કરવાં. “યજ્ઞકારો મારા લોકોને પવિત્ર અને અપવિત્ર વચ્ચેનો તફાવત સમજાવે. તેમણે પરવાનગી અને નિષેધના વિધિ પ્રમાણે શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ બતાવવો. જ્યારે કોઈ ધારાકીય તકરાર ઊભી થાય ત્યારે તેમણે મારા કાનૂનો અનુસાર તકરારનો ન્યાય કરવો. તેમણે મારા નિયમો તથા ધારાધોરણો અનુસાર ધાર્મિક પર્વો પાળવાં અને સાબ્બાથ દિનને પવિત્ર માનવો. “તેમણે શબને સ્પર્શ કરીને પોતાની જાતને અશુદ્ધ બનાવવી નહિ. પરંતુ યજ્ઞકારના પિતા, માતા, પુત્ર, પુત્રી, ભાઈ કે અવિવાહિત બહેનનું શબ હોય તો તે તેનો સ્પર્શ કરી શકે. એમાંથી શુદ્ધ થયા પછી તેમણે સાત દિવસ અલગ રહેવું, અને ત્યાર પછી મંદિરની અંદરના ચોકમાં જઇ પ્રાયશ્ર્વિત માટે બલિ ચડાવવો, જેથી તેઓ મંદિરમાં જઇ પુન: સેવાકાર્યો કરી શકે.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. “યજ્ઞકારોને એક જ વારસો મળશે; એ વારસો હું છું. ઇઝરાયલને વારસામાં મળેલા દેશમાં તેમને કોઈ વારસો મળશે નહિ. કારણ, હું તેમનો વારસો છું. તેઓ ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણબલિ ખાય, અને ઇઝરાયલમાં જે કંઈ મને સમર્પિત કરવામાં આવે તે તેમને મળે. પ્રથમ ફસલનો સૌથી ઉત્તમ ભાગ અને મને અર્પવામાં આવેલી બધી વસ્તુઓ તેમને મળે. જ્યારે તમે નવા અનાજની પ્રથમ રોટલી બનાવો ત્યારે તમારે પહેલી રોટલી યજ્ઞકારોને જ આપવી, જેથી તમારા ઘર પર આશીર્વાદ રહે. યજ્ઞકારોએ કુદરતી રીતે મરી ગયેલાં તેમજ જંગલી જાનવર દ્વારા મારી નંખાયેલા કોઈ પશુ કે પંખીનું માંસ ખાવું નહિ.” “જ્યારે તમે ચિઠ્ઠી નાખીને ઇઝરાયલ દેશની ભૂમિનું વિભિન્‍ન કુળો વચ્ચે વિતરણ કરો ત્યારે ભૂમિનો એક ભાગ પ્રભુને માટે અલગ કરવો. પ્રભુને અર્પિત ભૂમિની લંબાઈ સાડા બાર કિલોમીટર અને પહોળાઈ પાંચ કિલોમીટર રાખવી. આ સમગ્ર ભૂમિ વિસ્તાર પ્રભુને માટે પવિત્ર ગણાય. એમાં પ્રત્યેક બાજુ બસો પચાસ મીટરની હોય એવી સમચોરસ જગ્યા મંદિર માટે રાખવી. તેની ચારે તરફ પચીસ મીટર પહોળી ખુલ્લી જગા રાખવી. દેશના પવિત્ર ભૂમિક્ષેત્રમાંથી સાડા બાર કિલોમીટર પહોળાઈ ધરાવતો ટુકડો અલગ રાખવો. તેમાં મંદિર અને પરમ પવિત્ર સ્થાન થશે. એ દેશનો પવિત્ર ભાગ ગણાશે. આ ભાગ તો પ્રભુના પવિત્રસ્થાનમાં જઈને તેમની સેવાભક્તિ કરનાર યજ્ઞકારો માટે અલગ કરાશે. આ જગા યજ્ઞકારોનાં નિવાસસ્થાનો અને પવિત્રસ્થાન માટે અલગ રાખવામાં આવે. બાકીનો ભાગ મંદિરમાં વિવિધ પ્રકારનાં સેવાકાર્ય કરનાર લેવીઓ માટે અલગ રાખવો. એની માલિકી લેવીઓની રહેશે, અને તેમાં તેઓ પોતાનાં નગરો વસાવશે. “પવિત્ર ભૂમિક્ષેત્રની અડોઅડ એક બીજો ભાગ પવિત્ર નગરના તાબામાં અલગ રાખવો. આ ભૂમિવિસ્તાર પર બધા ઇઝરાયલીઓની માલિકી રહેશે. જમીનનો તે ભાગ સાડાબાર કિલોમીટર પહોળો રહેશે. “રાજર્ક્તા માટે પણ ભૂમિમાંથી અલગ ભાગ રાખવો. અર્પિત થયેલી પવિત્રભૂમિ અને નગરના તાબાની લગોલગ તેમની બંને તરફ પશ્ર્વિમમાં પશ્ર્વિમ સરહદ સુધી અને પૂર્વમાં પૂર્વ સરહદની વચ્ચે એમની જમીન રાખવી. ઇઝરાયલનાં કુળોની ફાળવેલ જમીનની સમાન્તર અને તેની લંબાઇના પ્રમાણમાં તેમને જમીન આપવી. ઇઝરાયલ દેશની આટલી જ ભૂમિ પર રાજર્ક્તાનો અધિકાર રહેશે, જેથી એ લોકો પર જુલમ ગુજારે નહિ અને દેશનો બાકીનો ભૂમિ વિસ્તાર ઇઝરાયલનાં કુળો પાસે રહેવા દે.” પ્રભુ પરમેશ્વર કહે છે: “હે ઇઝરાયલના રાજર્ક્તાઓ, આટલેથી બસ કરો; તમારી હિંસા અને અત્યાચાર અટકાવી દો. અદલ અને પ્રામાણિક વ્યવહાર કરો. તમે મારા લોકોને તેમની ભૂમિમાંથી કદી હાંકી કાઢતા નહિ.” પ્રભુ પરમેશ્વર પોતે તમને એ પ્રમાણે કહે છે. “સૌએ સાચાં ત્રાજવાં અને વજનિયાં વાપરવાં. ઘનમાપ એફાહ તથા પ્રવાહી- માપ બાથ પ્રમાણિત માપનાં હોવા જોઈએ; એટલે કે બાથમાં હોમેર નો દસમો ભાગ સમાતો હોવો જોઈએ, અને એફાહમાં પણ હોમેરનો દસમો ભાગ સમાવો જોઈએ. તમારાં માપ હોમેરને ધોરણે હોય. (હોમેરનું જ માપ પ્રમાણિત ગણાય) તમારો વજન કરવાનો શેકેલ વીસ ગેરાનો હોવો જોઈએ, તમારો મીના સાઠ શેકેલનો હોવો જોઈએ. તમે મંદિરમાં ભેટ ચડાવો ત્યારે તેનાં માપ આ પ્રમાણે હોય: ધાન્યના માપ પ્રમાણે એક હોમેર એફાહના છઠ્ઠા ભાગ પ્રમાણે નીચે મુજબ અર્પણ લાવવું: ઘઉં: ફસલનો સાઠમો ભાગ. જવ: ફસલનો સાઠમો ભાગ. ઓલિવનું તેલ: તમારાં વૃક્ષોની ફસલનો સોમો ભાગ. કારણ, પ્રવાહી માપ પ્રમાણે તમારે એક દશાંશ બાથ અર્પણ લાવવાનું છે. 1 કોર બરાબર 10 બાથ અને 10 બાથ બરાબર 1 હોમેર થતા હોવાથી દર હોમેરે સોમો ભાગ અર્પણમાં લાવવાનો રહે છે. ઘેટાં: ઇઝરાયલનાં રસાળ ચરાણોનાં દર બસો ઘેટાંએ એક ઘેટું તમારે તમારા પાપનાં પ્રાયશ્ર્વિત માટે ધાન્યઅર્પણ, દહનબલિ અને સંગતબલિ માટેનાં પશુ લાવવાં.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. દેશના સર્વ લોકોએ રાજર્ક્તાને આ પ્રમાણે ભેટ આપવી. રાજર્ક્તાએ નિયત પર્વો એટલે સાબ્બાથે, ચાંદ્ર માસના પ્રથમ દિવસે અને અન્ય સર્વ તહેવારોએ દહનબલિ, ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવ- અર્પણ પૂરાં પાડવાં. તેણે ઇઝરાયલીઓનાં પાપના પ્રાયશ્ર્વિત માટે પ્રાયશ્ર્વિતબલિ, ધાન્ય અર્પણ અને સંગતબલિ પૂરાં પાડવાં.” પ્રભુ પરમેશ્વરે કહ્યું: “પ્રથમ માસના પ્રથમ દિવસે તમારે ખોડખાંપણ વગરના જુવાન આખલાનો બલિ ચડાવવો અને મંદિરને શુદ્ધ કરવું. યજ્ઞકારે પ્રાયશ્ર્વિત માટેના બલિનું થોડુંક રક્ત લેવું અને તેને મંદિરની બારસાખો પર, યજ્ઞવેદીના પાયાના ચારે ખૂણાઓ પર અને અંદરના ચોકના દરવાજાની બારસાખો પર લગાડવું. મહિનાના સાતમે દિવસે પણ એ જ પ્રમાણે કરવું. જેણે ભૂલથી કે અજ્ઞાનતાથી પાપ કર્યું હોય તેને માટે પ્રાયશ્ર્વિતબલિ ચડાવવો. આ રીતે તમારે મંદિરને પવિત્ર રાખવું. પ્રથમ માસના ચૌદમા દિવસે તમારે પાસ્ખાપર્વની ઉજવણીનો આરંભ કરવો. સાત દિવસો સુધી દરેકે ખમીર વગરની રોટલી જ ખાવી. પર્વના પ્રથમ દિવસે ઇઝરાયલ દેશના રાજર્ક્તાએ પોતાનાં અને લોકોનાં પાપના પ્રાયશ્ર્વિત માટે એક આખલો પ્રાયશ્ર્વિતબલિ તરીકે ચડાવવો. પર્વના સાતેય દિવસો દરમ્યાન તેણે દહનબલિ તરીકે પ્રભુને સાત આખલાઓ અને ખોડખાંપણ વગરના સાત ઘેટા ચડાવવા. તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે પ્રતિદિન એક બકરો ચડાવવો. બલિ તરીકે ચડાવાયેલા પ્રત્યેક આખલા અને ઘેટા દીઠ એક એફાહ લેખે લગભગ સાડાસત્તર કિલો ધાન્ય-અર્પણ અને દર એફાહે એક હીન લેખે ત્રણ લિટર ઓલિવતેલ પણ ચડાવવા. સાતમા માસના પંદરમા દિવસથી આરંભાતા માંડવાપર્વ માટે પણ રાજર્ક્તાએ સાતેય દિવસ આવાં જ પ્રાયશ્ર્વિતબલિ, દહનબલિ અને ધાન્યઅર્પણ તથા ઓલિવ તેલના પેયાર્પણ ચડાવવાં. પ્રભુ પરમેશ્વર કહે છે: “અંદરના ચોકનો પૂર્વમુખી દરવાજો સપ્તાહના કામ કરવાના છ દિવસો બંધ રહે પણ સાબ્બાથદિને અને ચાંદ્રમાસના પ્રથમ દિવસે તેને ઉઘાડો રાખવો. રાજર્ક્તાઓએ બહારના ચોકમાંથી ઓસરીમાં થઈને અંદર દાખલ થવું ને અંદરના દરવાજાની બારસાખ પાસે ઊભા રહેવું. તે દરમ્યાન યજ્ઞકારો રાજર્ક્તાના દહનબલિ અને સંગતબલિ ચડાવે. ત્યાં દરવાજાના ઉંબરા પાસે જ આરાધના કરી રાજર્ક્તાએ પાછા બહાર નીકળી જવું, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો. પ્રત્યેક સાબ્બાથદિને અને ચાંદ્રમાસના પ્રથમ દિવસે બધા ઇઝરાયલીઓ પણ દરવાજા પાસે ઊભા રહી પ્રભુની હજૂરમાં નમીને આરાધના કરે. “સાબ્બાથદિને રાજર્ક્તાએ દહનબલિ માટે ખોડખાપણ વગરનાં છ હલવાન અને એક ઘેટો પ્રભુ સમક્ષ લાવવાં. તે પ્રત્યેક ઘેટા સાથે એક એફાહ એટલે સાડાસત્તર કિલો ધાન્યઅર્પણ અને હલવાનોની સાથે યથાશક્તિ ધાન્યઅર્પણ અને દર એફાહ દીઠ એક હીન એટલે ત્રણ લિટર ઓલિવ તેલ આપે. તેણે ચાંદ્રમાસને પ્રથમ દિવસે એક જુવાન આખલો, છ હલવાન અને એક ઘેટો ચડાવવાં. તે બધાં ખોડખાંપણ વગરના હોવાં જોઈએ. રાજર્ક્તા પ્રત્યેક આખલા અને ઘેટા દીઠ એક એફાહ એટલે સાડા સત્તર કિલો ધાન્યઅર્પણ તથા હલવાનોની સાથે યથાશક્તિ ધાન્યઅર્પણ અને પ્રત્યેક એફાહ દીઠ એક હીન એટલે ત્રણ લિટર ઓલિવ તેલ પણ આપે. “રાજર્ક્તા દરવાજાની ઓસરીને માર્ગે અંદર આવે અને તે જ માર્ગે બહાર જાય. જ્યારે ઇઝરાયલના લોકો નિર્ધારિત પર્વો પર પ્રભુની આરાધના માટે આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી પ્રવેશે તેઓ સેવાભક્તિ કર્યા પછી દક્ષિણને દરવાજેથી બહાર નીકળે, અને જેઓ દક્ષિણને દરવાજેથી પ્રવેશે તેઓ ઉત્તરને દરવાજેથી બહાર નીકળે. પ્રત્યેક માણસ જે રસ્તેથી અંદર દાખલ થયો હોય તે રસ્તે પાછો ન જાય, પણ સામેને દરવાજેથી બહાર જાય. રાજર્ક્તાએ પણ સામાન્ય જનતા સાથે જ અંદર દાખલ થવું ને તેમની સાથે જ બહાર જવું. ઉજાણીઓમાં અને નિયત પર્વોમાં પ્રત્યેક આખલા કે ઘેટા દીઠ એક એફાહ એટલે સાડા સત્તર કિલો ધાન્ય અર્પણ ચડાવવો અને હલવાનોની સાથે યથાશક્તિ અર્પણ કરવું. આવા પ્રત્યેક એફાહના ધાન્યઅર્પણ સાથે એક હીન એટલે ત્રણ લિટર ઓલિવતેલ પણ ચડાવવું. “રાજર્ક્તા પ્રભુને દહનબલિ અથવા સંગતબલિ ચડાવવાની ઇચ્છા રાખે ત્યારે તેને માટે અંદરના ચોકનો પૂર્વમુખી દરવાજો ઉઘાડવો. જેમ તે સાબ્બાથદિને બલિ ચડાવે છે તેમ જ તેણે દહનબલિ તથા સંગતબલિ ચડાવવા. તે દરવાજામાંથી બહાર નીકળે પછી દરવાજો પાછો બંધ કરવો.” પ્રભુ કહે છે: “પ્રતિદિન ખોડખાંપણ વિનાનું એક વર્ષની વયનું હલવાન પ્રભુ સમક્ષ દહનબલિ તરીકે ચડાવવું. દર સવારે એ બલિ ચડાવવો. તે સાથે દર સવારે ધાન્યઅર્પણ પણ ચડાવવું. એફાહનો છઠ્ઠો ભાગ એટલે બે કિલો લોટ અને તેની સાથે લોટ મોહવા માટે હીનનો ત્રીજો ભાગ એટલે એક લિટર ઓલિવતેલ ચડાવવાં. પ્રભુને ધાન્યઅર્પણ ચડાવવા માટે આ નિત્યનો નિયમ છે. દર સવારે હલવાન, લોટ અને ઓલિવતેલ નિત્યના બલિ તરીકે પ્રભુને ચડાવવાં.” પ્રભુ પરમેશ્વર કહે છે: “જો રાજર્ક્તા પોતાની માલિકીની જમીનમાંથી થોડો ભાગ પોતાના કોઈ પુત્રને બક્ષિસ તરીકે આપે, તો તે જમીન તે પુત્રની વારસાગત સંપત્તિ થાય. એ પુત્ર તે જમીનનો માલિક થાય. પરંતુ જો રાજર્ક્તા પોતાની જમીનમાંથી અમુક ભાગ પોતાના કોઈ ચાકરને આપે તો ઋણમુક્તિના વર્ષ સુધી જ એ જમીન તે ચાકરની માલિકીની ગણાય. એ પછી તે રાજર્ક્તાની મિલક્ત બને. માત્ર રાજર્ક્તાને અને તેના પુત્રોને જમીનની મિલક્ત પર કાયમી હક રહે. વળી, રાજર્ક્તાએ નાગરિકોમાંથી કોઈની પણ મિલક્ત લઈને તેમને જમીનવિહોણા કરી દેવા નહિ. તેણે તો પોતાની જમીનમાંથી જ પોતાના પુત્રોને જમીન આપવી, જેથી મારા લોકોની જમીન પોતપોતાના કુળપ્રદેશમાંથી વેરવિખેર થઈ જાય નહિ.” પછી તે મને દરવાજાની પડખે આવેલા બારણામાં થઈને ઉત્તર તરફની યજ્ઞકારો માટેની અલગ રાખેલી ઓરડીઓના પ્રવેશદ્વાર પાસે લઈ ગયો. તેણે મને ઓરડીઓની પશ્ર્વિમે એક સ્થળ બતાવ્યું અને કહ્યું: “આ સ્થળે યજ્ઞકારોએ પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણબલિ માટેનાં પશુઓનું માંસ બાફવાનું છે અને ત્યાં જ ધાન્યઅર્પણ માટેના અન્‍નની રોટલી શેકવાની છે. જેથી તેઓ બલિપશુનું માંસ અને ધાન્યઅર્પણનું અન્‍ન બહારના ચોકમાં લઈ ન જાય. અને એ પવિત્રવસ્તુઓનો સ્પર્શ થવાને લીધે લોકો પર દૈવી કોપ આવી ન પડે. પછી તે મને બહારના ચોકમાં લઈ ગયો. ત્યાં તેણે ચારે ખૂણામાં આવેલા નાના ચોક બતાવ્યા. તે દરેક ચોકની લંબાઈ વીસ મીટર અને પહોળાઈ પંદર મીટર હતી. બધા ચોક એક જ માપના હતા. એ પ્રત્યેક ચોકની આસપાસ પથ્થરની દીવાલ હતી. એ દીવાલની લગોલગ ચૂલા બનાવેલા હતા. તે માણસે મને કહ્યું, “આ રસોઈગૃહો છે, જેમાં મંદિરના સેવકોએ લોકો દ્વારા ચડાવાયેલા બલિને રાંધવાના છે.” પછી તે મને મંદિરના પ્રવેશદ્વાર પર પાછો લાવ્યો. મંદિરના ઉંબરા નીચેથી પાણી પૂર્વ તરફ વહેતાં હતા; કારણ, મંદિરનું મુખ પૂર્વદિશામાં હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ દિશાએ થઈને વહેતાં હતાં. પછી તે મને ઉત્તરમુખી દરવાજેથી બહાર લઈ ગયો અને મને ફેરવીને પૂર્વમુખી દરવાજે લઈ ગયો. ત્યાં દરવાજાની દક્ષિણ બાજુએથી પાણીનું નાનું ઝરણું વહેતું હતું. તેણે હાથમાં માપદોરી લીધી અને પૂર્વ તરફ ચાલીને પાંચસો મીટર અંતર માપ્યું. પછી તેણે મને પાણીમાં ચલાવ્યો. તે પાણી ધૂંટણસમાં હતાં. એ પછી તેણે બીજા પાંચસો મીટર માપ્યા અને મને પાણીમાં ચલાવ્યો તે પાણી કમરસમા હતાં. તેણે બીજા પાંચસો મીટર માપ્યા અને ત્યાં પાણી એટલું ઊડું હતું કે હું પાણીમાં ચાલી ન શક્યો. ત્યાં તર્યા વગર સામે કાંઠે જઈ શકાય તેમ નહોતું. તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું આ બધું ધ્યાન દઈને નોંધી રાખ.” પછી તે મને નદી કિનારે પાછો લઈ ગયો. અને મેં જોયું તો નદીને બંને કિનારે ઘણાં વૃક્ષો હતાં. તેણે મને કહ્યું, “આ પાણી અહીંથી પૂર્વ તરફ વહીને યરદનની ખીણમાં પડે છે અને છેવટે એ મૃતસમુદ્રમાં જઈને મળે છે. જ્યારે તે મૃતસમુદ્રને મળશે ત્યારે તેનાં ખારાં પાણીને મીઠાં પાણી બનાવી દેશે. જ્યાં જ્યાં એ પાણી વહે છે ત્યાં ત્યાં સર્વ પ્રકારનાં પ્રાણીઓ અને માછલાંનાં ટોળેટોળાં જીવશે. એ નદી મૃતસમુદ્રનાં પાણીને પણ મીઠાં બનાવશે અને જ્યાં જ્યાં તે વહેશે ત્યાં ત્યાં જીવન પ્રસારશે. એનગેદીના જલસ્રોતથી માંડી એન-એગ્લાઇમના જલસ્રોત સુધી સમગ્ર સમુદ્રકાંઠા ઉપર માછીમારો હશે અને ત્યાં તેઓ પોતાની જાળો સૂકવશે. ભૂમધ્ય સમુદ્રનાં માછલાંની જેમ ત્યાં પણ અનેક પ્રકારનાં માછલાં થશે. પણ તેનાં કળણોનાં અને નાનાં તળાવોનાં પાણી મીઠાં થશે નહિ, પણ તેમાંથી મીઠું પકવવામાં આવશે. એ નદીના બંને કિનારે અનેક પ્રકારનાં વૃક્ષો થશે, જે આહાર માટે ફળ આપશે. તેમનાં પાંદડાં કદી કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. તેમને દર મહિને નવાં ફળ બેસશે, કારણ, તેમને સિંચનારું જળ મંદિરમાંથી વહે છે. તેમનાં ફળ ખાવાના કામમાં અને તેમનાં પાંદડાં ઔષધિના કામમાં આવશે.” પ્રભુ પરમેશ્વરે કહ્યું, “દેશની આ સરહદો છે; તે બારે કુળો વચ્ચે વહેંચવાની છે. માત્ર યોસેફના કુળને બે ભાગ મળે. મેં તમારા પૂર્વજોને પ્રતિજ્ઞાપૂર્વક એ વચન આપ્યું હતું કે હું તેમને આ દેશ તેમના વારસા તરીકે આપીશ. હવે તમે એ ભૂમિ સરખે હિસ્સે વહેંચી લો. “ભૂમિની ઉત્તરી સીમા ભૂમધ્ય સમુદ્રથી હેથલોન નગરના માર્ગે સદાદના નાકા સુધીની છે. ત્યાંથી તે દમાસ્ક્સ અને બેરોથા અને સિબ્રાઇમનાં નગરો થઈને હૌરાનની સરહદે આવેલા હાસેર-હાત્તિકોન સુધી જાય છે. આમ, ઉત્તરની સીમા ભૂમધ્ય સમુદ્રથી એનોન શહેર સુધી છે, અને તેની ઉત્તરે દમાસ્ક્સની સીમા અને હમાથ આવેલાં છે. આ ઉત્તરની સીમા છે. “પૂર્વીય સીમા દમાસ્ક્સ અને હૌરાનના પ્રદેશની વચ્ચે થઈને દક્ષિણ તરફ જાય છે. યર્દન નદી તેની પૂર્વે આવેલ ઇઝરાયલના અને પશ્ર્વિમે આવેલ ગિલ્યાદના પ્રદેશ વચ્ચેની સરહદ બને છે. એ સરહદ છેક તામાર સુધી વિસ્તરે છે. આ પૂર્વ સીમા છે. “દક્ષિણની સીમાનો તામારથી આરંભ થાય છે. તે તામારથી દક્ષિણમાં કાદેશનાં રણદ્વીપ પાસે થઈને ઇજિપ્તની સરહદે ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે. એ દક્ષિણની સીમા છે. “પશ્ર્વિમી સીમા દક્ષિણની સીમાના પશ્ર્વિમી છેડાથી શરૂ થઈને હમાથ ઘાટની સામેના વિસ્તાર સુધી જાય છે. એ પશ્ર્વિમી સીમા છે. “તમારે આ ઇઝરાયલ દેશને તમારાં કુળો વચ્ચે વહેંચી લેવો. એ તમારી કાયમી સંપત્તિ થશે. તમે જમીનની વહેંચણી કરો ત્યારે તમારી મધ્યે વસતા પરદેશીઓ અને તેમને અહીં જે બાળકો થયાં છે તેમને પણ તમારે જમીનની વહેંચણીમાં ભાગ આપવો. તેમને પણ જાતભાઈઓ એટલે ઇઝરાયલીઓ જેવા ગણવા અને તેમને પણ ઇઝરાયલનાં કુળોની સાથે ચિઠ્ઠીઓ નાખી જમીનની વહેંચણી કરવી. પરદેશીઓ ઇઝરાયલના જે કુળ સાથે વસવાટ કરતા હોય તે કુળ સાથે તેમને ભૂમિમાં ભાગ મળવો જોઈએ.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે. હવે વહેંચણીમાં કુળોની વિગત આ પ્રમાણે છે: દેશની ઉત્તર સીમા આ રીતે પૂર્વ તરફ આગળ વધે છે: ભૂમધ્ય સમુદ્રથી હેથલોનના નગર સુધી, ત્યાંથી હમાથના ઘાટ સુધી, ત્યાંથી એનોન નગર સુધી, અને ત્યાંથી દમાસ્ક્સ અને હમાથની સરહદોની વચ્ચે સુધી જાય છે. ઉત્તરને છેડે આવેલો આ ભાગ દાનને મળશે. દાન પછી દરેક કુળને પૂર્વથી પશ્ર્વિમ સુધી વિસ્તરેલો એક એક ભાગ એકબીજાની પડોશમાં એક પછી એક અનુક્રમે આ રીતે મળવો જોઈએ: પ્રથમ આશેર, પછી નાફતાલી, મનાશ્શા, એફ્રાઇમ, રૂબેન અને યહૂદા. *** *** *** *** *** યહૂદાની ભૂમિવિસ્તારને અડીને આવેલો પૂર્વથી પશ્ર્વિમ સુધીનો ભાગ પવિત્ર છે. તે સાડા બાર કિલોમીટર પહોળો અને પૂર્વથી પશ્ર્વિમ સુધી કોઈપણ એક કુળના ભૂમિક્ષેત્ર જેટલી લંબાઈનો હશે. મંદિર તેની મધ્યમાં હશે. જે ખાસ ભૂમિક્ષેત્ર તમે પ્રભુને સમર્પિત કરો તેની લંબાઈ સાડાબાર કિલોમીટર અને પહોળાઈ પાંચ કિલોમીટર હોય. આ પવિત્ર ભૂમિવિસ્તારમાંથી યજ્ઞકારોને એક ભાગ મળશે. એ ભૂમિક્ષેત્રની પૂર્વપશ્ર્વિમ લંબાઈ સાડાબાર કિલોમીટર અને ઉત્તરદક્ષિણ પહોળાઈ પાંચ કિલોમીટર હોય. પ્રભુનું પવિત્રસ્થાન તેના મધ્યભાગમાં હશે. આ પવિત્ર ભૂમિવિસ્તાર સાદોકના વંશના પવિત્ર યજ્ઞકારો માટે હશે. ઇઝરાયલીઓ ભટકી ગયા હતા ત્યારે તેમની સાથે લેવીઓ પણ આડે માર્ગે ગયા હતા. પણ સાદોકવંશના યજ્ઞકારોએ વિશ્વાસુપણે મારી સેવા બજાવી હતી. તેથી લેવીઓને જે ભૂમિભાગ મળે તેની લગોલગ જ એમને એક વિશેષ ભૂમિભાગ મળવો જોઈએ, અને તે સૌથી પવિત્ર ભાગ ગણાશે. લેવીઓને પણ યજ્ઞકારોના ભાગથી દક્ષિણે એક વિશેષ ભાગ મળે. એ પૂર્વપશ્ર્વિમ સાડાબાર કિલોમીટર અને ઉત્તરદક્ષિણ પાંચ કિલોમીટર હશે. પ્રભુને અર્પિત ભાગ સૌથી ઉત્તમ હશે અને તેનો કોઈપણ અંશ વેચી શકાશે નહિ, બદલામાં આપી શકાશે નહિ કે એમાંથી કોઈ ભાગ અલગ કરી શકાશે નહિ. એ પવિત્ર છે અને પ્રભુની માલિકીનો છે. વિશિષ્ટ ભૂમિવિસ્તારનો બાકી રહેલો સાડાબાર કિલોમીટર લાંબો અને અઢી કિલોમીટર પહોળો ભાગ નગર, વસ્તી અને પાદરને માટે સુરક્ષિત રહે. નગર તેની મધ્યમાં હોય. નગરનું ક્ષેત્રફળ આ પ્રમાણે હોય. તે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ર્વિમમાં સવા બે કિલોમીટર હોય, શહેરની આસપાસ ચારે તરફ 125 મીટર પહોળા ખુલ્લાં પાદર હોય. પવિત્ર ભૂમિભાગની દક્ષિણે શહેર બંધાઈ ગયા પછી પૂર્વમાં પાંચ કિલોમીટર લંબાઈની અને અઢી કિલોમીટર પહોળાઈની વધેલી જમીન તથા પશ્ર્વિમમાં પણ તે જ માપની વધેલી જમીન શહેરમાં રહેતા શ્રમજીવીઓ ખેડીને તેમાંથી પેદાશ મેળવે. એ નગરમાં વસતા ઇઝરાયલના સર્વ કુળના શ્રમજીવીઓ એ જમીનમાં ખેતી કરી શકશે. નગરના તાબામાં આવેલી જમીનની જેમ એ આખો અર્પિત ભૂમિવિસ્તાર ચોરસ હોય અને તેની ચોતરફની પ્રત્યેક બાજુ સાડાબાર કિલોમીટરની હોય. બાકીનો ભાગ રાજર્ક્તાને ફાળે જાય; એટલે કે સમર્પિત ભૂમિક્ષેત્ર અને નગરના તાબાના ભૂમિવિસ્તારની સાડાબાર કિલોમીટરની જમીનથી શરૂ કરીને પૂર્વ તરફ પૂર્વની હદ સુધી અને પશ્ર્વિમે પણ સાડાબાર કિલોમીટરની જમીનથી શરૂ કરીને પશ્ર્વિમ સરહદ સુધીનો એનો ભાગ રહેશે. એ બે બાજુના ભાગ કુળોને અપાયેલા ભાગની સમાન્તર રહેશે અને પવિત્રસ્થાન સહિત સમર્પિત ભૂમિક્ષેત્ર એમની વચમાં રહેશે. લેવીઓને ભાગે આવતી જમીન અને નગરની વિશેષ ભૂમિ રાજર્ક્તાના ભૂમિભાગની મધ્યમાં હશે. રાજર્ક્તાનો જમીન વિસ્તાર યહૂદા અને બિન્યામીનનાં કુળની સીમાઓ વચ્ચે હશે. આ વિશેષ ભાગની દક્ષિણે આવેલ જમીનમાંથી બાકી રહેલ દરેક કુળને પૂર્વીય સરહદથી પશ્ર્વિમી સરહદ સુધી વિસ્તરેલો એક એક ભાગ નીચેના ક્રમ પ્રમાણે એકબીજાની લગોલગ મળશે: બિન્યામીન, શિમયોન, ઇસ્સાખાર, ઝબુલૂન અને ગાદ. *** *** *** *** ગાદને મળેલ ભૂમિક્ષેત્રની લગોલગ દક્ષિણ બાજુની સરહદ તામારથી નૈઋત્યમાં કાદેશના રણદ્વીપ સુધી અને પછી વાયવ્યમાં ઇજિપ્તની સરહદે ભૂમધ્ય સમુદ્ર સુધી છે. પ્રભુ પરમેશ્વરે કહ્યું, “આ પ્રમાણે તમારે ઇઝરાયલનાં કુળોને ચિઠ્ઠીઓ નાખીને જમીનની વહેંચણી કરી આપવાની છે, અને તેમના જુદા જુદા હિસ્સા ઉપર પ્રમાણે છે.” યરુશાલેમ શહેરને બાર દરવાજા છે. ચાર બાજુની ચાર દીવાલો 2250 મીટરની છે અને પ્રત્યેકમાં ત્રણ દરવાજા છે અને ઇઝરાયલનાં કુળોનાં નામ પ્રમાણે દરવાજાનાં નામ પાડવામાં આવ્યાં છે. ઉત્તરની દીવાલમાંના દરવાજાનાં નામ રૂબેનનો દરવાજો, યહૂદાનો દરવાજો, અને લેવીનો દરવાજો છે; પૂર્વીય દીવાલમાંના દરવાજાનાં નામ યોસેફનો દરવાજો, બિન્યામીનનો દરવાજો અને દાનનો દરવાજો છે; દક્ષિણની દીવાલમાંના દરવાજાનાં નામ: શિમયોનનો દરવાજો, ઇસ્સાખારનો દરવાજો અને ઝબુલૂનનો દરવાજો છે; અને પશ્ર્વિમની દીવાલમાંના દરવાજાનાં નામ ગાદનો દરવાજો, આશેરનો દરવાજો અને નાફતાલીનો દરવાજો છે, *** *** *** *** શહેરની આસપાસની દીવાલની લંબાઈ નવ હજાર મીટર છે. હવેથી શહેરનું નામ “યાહવે - શામ્માહ” એટલે ‘પ્રભુ અહીં છે’ રાખવામાં આવશે. યહૂદિયાના રાજા યહોયાકીમના અમલના ત્રીજા વર્ષમાં બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યરુશાલેમ પર આક્રમણ કરી તેને ઘેરો ઘાલ્યો. પ્રભુએ યહોયાકીમને અને મંદિરનાં કેટલાંક પાત્રોને તેના હાથમાં સોંપી દીધાં. તે પોતાની સાથે કેટલાક કેદીઓને બેબિલોનમાંના પોતાના દેવોના મંદિરમાં લઈ ગયો અને લૂંટેલાં પાત્રો એ મંદિરના ભંડારમાં મૂક્યાં. રાજાએ પોતાના મુખ્ય અધિકારી આશ્પનાઝને ઇઝરાયલી કેદીઓમાંથી રાજવંશી અને અમીરવર્ગના કેટલાક યુવાનો પસંદ કરવા હુકમ કર્યો. તેઓ ખૂબસૂરત, સર્વ જ્ઞાનસંપન્‍ન, તાલીમબદ્ધ, વિદ્યાપારંગત અને શારીરિક ખામી વગરના હોવા જોઈએ, કે જેથી તેઓ રાજદરબારમાં સેવા કરવાની લાયક્ત પ્રાપ્ત કરી શકે. આશ્પનાઝે તેમને બેબિલોનની ભાષા વાંચતાં લખતાં શીખવવાની હતી. રાજાએ એવો હુકમ પણ કર્યો કે તેમને દરરોજનું ભોજન રાજવી ખોરાક અને દ્રાક્ષાસવમાંથી જ આપવામાં આવે. ત્રણ વર્ષની તાલીમ પછી તેમને રાજાની સમક્ષ રજૂ કરવાના હતા. પસંદ કરાયેલ યુવાનોમાં દાનિયેલ, હનાન્યા, મિશાએલ અને અઝાર્યા હતા અને એ બધા યહૂદા કુળના હતા. મુખ્ય અધિકારીએ દાનિયેલનું બેલ્ટશાસ્સાર, હનાન્યાનું શાદ્રાખ, મિશાએલનું મેશાખ અને અઝાર્યાનું અબેદ-નગો એવાં નામ પાડયાં. પણ દાનિયેલે પોતાના મનમાં નિશ્ર્વય કર્યો કે રાજાનું ભોજન કે તેનો દ્રાક્ષાસવ લઈને હું મારી જાતને ભ્રષ્ટ કરીશ નહિ. તેથી તેણે આશ્પનાઝની મદદ માગી. ઈશ્વરની કૃપાથી આશ્પનાઝના દિલમાં દાનિયેલ પ્રત્યે સહાનુભૂતિ પેદા થઈ. પણ આશ્પનાઝને રાજાની બીક લાગતી હતી, તેથી તેણે દાનિયેલને કહ્યું, “તમારે શું ખાવું અને શું પીવું તે રાજાએ નક્કી કરી આપ્યું છે અને જો તે જોશે કે તમે બીજા યુવાનો જેવા સશક્ત નથી તો તે મારો શિરચ્છેદ કરી નાખશે.” તેથી દાનિયેલ તથા તેના ત્રણ મિત્રો પર આશ્પનાઝે નીમેલા સંરક્ષક પાસે જઈને દાનિયેલે કહ્યું, “તમે દસ દિવસ અમારી ક્સોટી કરી જુઓ. અમને ખાવાને શાક્હારી ખોરાક અને પીવાને પાણી જ આપો. તે પછી રાજવી ખોરાક જમનારા બીજા યુવાનો સાથે અમારી તુલના કરો, અને અમે કેવા દેખાઈએ છીએ તે પરથી તમે નિર્ણય કરો.” સંરક્ષકે તેમની વિનંતી સાંભળીને તેમની દસ દિવસ ક્સોટી કરી. દસ દિવસ પૂરા થતાં રાજવી ખોરાક જમનારા સર્વ કરતાં તેઓ વધુ તંદુરસ્ત અને સશક્ત દેખાયા. આથી સંરક્ષકે તેમને તે સમયથી રાજવી ખાનપાનને બદલે શાકભાજી આપવાનું ચાલુ રાખ્યું. ઈશ્વરે આ ચારે યુવાનોને સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં જ્ઞાન અને કૌશલ્ય આપ્યાં; વળી, દાનિયેલને સર્વ સંદર્શનો અને સ્વપ્નોનું અર્થઘટન કરવાનું દાન આપ્યું. રાજાએ નિયત કરેલી મુદત એટલે ત્રણ વર્ષને અંતે આશ્પનાઝે બધા યુવાનોને નબૂખાદનેસ્સાર સમક્ષ રજૂ કર્યા. રાજાએ એ બધા સાથે વાત કરી તો દાનિયેલ, હનાન્યા, મિશાએલ અને અઝાર્યા સૌના કરતાં શ્રેષ્ઠ માલૂમ પડયા. તેથી તેમને રાજાના દરબારના સભ્ય બનાવવામાં આવ્યા. રાજાના કોઈપણ પ્રશ્ર્ન કે કોયડાનો ઉકેલ આપવામાં સમગ્ર રાજ્યના જાદુગરો કે જ્યોતિષો કરતાં તેઓ દસગણા ચડિયાતા માલૂમ પડયા. દાનિયેલ તો ઇરાનના રાજા કોરેશે બેબિલોન જીતી લીધું ત્યાં સુધી રાજદરબારમાં કાયમ રહ્યો. નબૂખાદનેસ્સારને પોતાના અમલના બીજા વર્ષમાં એક સ્વપ્ન આવ્યું. એથી તે એવો ચિંતાતુર બની ગયો કે તેની ઊંઘ પણ ઊડી ગઈ. તેથી તેણે પોતાના ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, મંત્રવિદો અને વિદ્વાનોને બોલાવ્યા કે જેથી તેઓ તેના સ્વપ્નનો અર્થ સમજાવે. તેઓ રાજા સમક્ષ હાજર થયા, એટલે, રાજાએ તેમને કહ્યું, “મારા એક સ્વપ્નને લીધે હું ચિંતાતુર છું અને મારે એનો અર્થ જાણવો છે.” તેમણે રાજાને અરામી ભાષામાં જવાબ આપ્યો, “હે રાજા, આપ અમર રહો! આપનું સ્વપ્ન અમને કહો એટલે અમે તેનો અર્થ બતાવીશું.” રાજાએ તેમને કહ્યું, “મેં એવો નિર્ણય કર્યો છે કે તમારે માત્ર સ્વપ્નનો અર્થ જ નહિ, પણ સ્વપ્ન શું હતું તે પણ મને કહેવું. જો તમે તે નહિ કહી શકો, તો તમારા અંગેઅંગના કાપીને ટુકડા કરવામાં આવશે અને તમારાં ઘર ખંડિયેર બનાવી દેવાશે. પણ જો તમે સ્વપ્ન તથા તેનો અર્થ કહેશો તો હું તમને ઉત્તમ બક્ષિસો આપીશ અને તમારું બહુમાન કરીશ. તેથી હવે મને સ્વપ્ન તથા તેનો અર્થ જણાવો.” તેમણે રાજાને પ્રત્યુત્તર આપ્યો, “હે રાજા, આપ અમને આપનું સ્વપ્ન જણાવો તો જ અમે તેનો અર્થ કહી શકીએ.” એ સાંભળીને રાજાએ કહ્યું, “હું ચોક્કસ જાણું છું કે તમે સમય મેળવવાનો પ્રયાસ કરો છો, કારણ, તમને મારા નિર્ણયની ખબર પડી ગઈ છે, એટલે કે, તમે મને સ્વપ્ન ન જણાવો તો તમને સૌને એક્સરખી સજા થવાની છે. સમય વીત્યે પરિસ્થિતિ પલટાશે એવી આશાએ મને જુઠ્ઠી વાતો કહેવા તમે અંદરોઅંદર મસલત કરી છે. મારું સ્વપ્ન મને જણાવો એટલે તમે મને તેનો અર્થ પણ કહી શકશો કે નહિ તેની મને ખબર પડે.” જ્યોતિર્વિદોએ જવાબ આપ્યો, “હે રાજા, આપ જે જાણવા માગો છો તે કહેવાને પૃથ્વીના પટ પર કોઈ સમર્થ નથી. અરે, સૌથી મહાન અને પરાક્રમી રાજાએ પણ આવી વાત પોતાના જ્યોતિષો, જાદુગરો કે મંત્રવિદોને કદી પૂછી નથી. આપ નામદાર જે જાણવા માગો છો તે તો દેવો સિવાય કોઈ કહી શકે તેમ નથી, અને તેઓ કંઈ માણસો મધ્યે વસતા નથી.” એ સાંભળીને રાજાનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેણે બેબિલોનના સર્વ શાહી સલાહકારોનો વધ કરવાનો હુકમ કર્યો. તેથી બધા જ્ઞાનીઓને મારી નાખવાનો હુકમ પ્રગટ કરવામાં આવ્યો, અને એમાં દાનિયેલ તથા તેના ત્રણ મિત્રોનો પણ સમાવેશ થતો હતો. ત્યારે દાનિયેલ રાજાના અંગરક્ષકોના અધિકારી આર્યોખ પાસે ગયો. આર્યોખે જ્ઞાનીઓની ક્તલ કરવાના હુકમનો અમલ કરવાનો હતો. બુદ્ધિપૂર્વક વાત કરતાં દાનિયેલે આર્યોખને પૂછયું, “રાજાએ આવો સખત હુકમ કેમ કર્યો છે?” તેથી આર્યોખે જે બન્યું હતું તે બધું દાનિયેલને કહી જણાવ્યું. દાનિયેલ તરત રાજા પાસે ગયો અને પોતે સ્વપ્નનો અર્થ જણાવી શકે માટે વધુ સમયની પરવાનગી માગી. પછી દાનિયેલે ઘેર જઈને પોતાના મિત્રો હનાન્યા, મિશાએલ અને અઝાર્યાને બનેલી સર્વ વાતથી વાકેફ કર્યા. તેણે તેમને કહ્યું કે આકાશના ઈશ્વરને પ્રાર્થના કરો કે તે દયા કરીને તેમની સમક્ષ સ્વપ્નનો અર્થ પ્રગટ કરે, કે જેથી બેબિલોનના અન્ય જ્ઞાનીઓ સાથે તેઓ પણ માર્યા ન જાય. એ જ રાત્રે દાનિયેલને સંદર્શનમાં એ રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું, એટલે તેણે આકાશના ઈશ્વરની સ્તુતિ કરી: “ઈશ્વર જ્ઞાની અને પરાક્રમી છે, તેમની સદાસર્વદા સ્તુતિ થાઓ. તે સમય અને ઋતુઓનું નિયમન કરે છે; તે જ રાજાઓને ગાદીએ બેસાડે છે અને તેમને પદભ્રષ્ટ પણ કરે છે. તે જ જ્ઞાન અને સમજશક્તિ આપે છે. તે ગહન અને માર્મિક વાતો પ્રગટ કરે છે; અંધકારમાં છુપાયેલી બાબતો પણ તે જાણે છે. તેમની આસપાસ પ્રકાશ હોય છે. હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારી સ્તુતિ અને તમારું સન્માન કરું છું. તમે મને જ્ઞાન ને સામર્થ્ય બક્ષ્યાં છે; તમે મારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપ્યો છે અને રાજાને શું કહેવું તે તમે અમને બતાવ્યું છે.” રાજ્યના જ્ઞાનીઓનો નાશ કરવા માટે રાજાએ જેને નીમ્યો હતો તે આર્યોખ પાસે જઈને દાનિયેલે કહ્યું. “તેમને મારી નાખીશ નહિ. મને રાજા પાસે લઈ જા એટલે હું રાજાના સ્વપ્નનો અર્થ કહી બતાવીશ.” તરત જ આર્યોખ દાનિયેલને નબૂખાદનેસ્સાર રાજા પાસે લઈ ગયો અને રાજાને કહ્યું, “હે રાજા, મને યહૂદી બંદીવાનોમાંથી એક માણસ મળી આવ્યો છે જે આપને આપના સ્વપ્નનો અર્થ કહી બતાવશે.” રાજાએ દાનિયેલ એટલે બેલ્ટશાસ્સારને કહ્યું, “શું તું મને મારું સ્વપ્ન તેમજ તેનો અર્થ કહી શકીશ?” દાનિયેલે જવાબ આપ્યો, “હે રાજા, કોઈપણ વિદ્વાન જાદુગર, ભવિષ્યવેત્તા કે જ્યોતિર્વિદ આપના સ્વપ્નનો ગૂઢ અર્થ કહી શકે તેમ નથી. પણ આકાશમાં એક ઈશ્વર છે જે રહસ્યો ખોલે છે. ભવિષ્યમાં જે બનવાનું છે તે તેમણે આપને જણાવ્યું છે. તમે નિદ્રાધીન હતા ત્યારે સ્વપ્નમાં તમને જે દર્શન થયેલું તે હવે હું તમને કહીશ. “હે રાજા, આપ નિદ્રામાં હતા ત્યારે તમને ભવિષ્યનું સ્વપ્ન આવ્યું; અને રહસ્ય પ્રગટ કરનાર ઈશ્વરે તમને હવે પછી શું બનવાનું છે તે જણાવ્યું છે. હવે હું બીજા બધા કરતાં વધારે જ્ઞાની છું એટલા માટે નહિ, પણ તમે તમારા દયના વિચારો અને સ્વપ્ન સમજી શકો માટે મને તેનો અર્થ બતાવવામાં આવ્યો છે. “હે રાજા, સ્વપ્નમાં આપે આપની સમક્ષ એક પ્રચંડ અને ઝગઝગાટ મૂર્તિ જોઈ હતી. તેનું સ્વરૂપ ભયાનક હતું. તેનું માથું શુદ્ધ સોનાનું, છાતી અને હાથ ચાંદીના, પેટ અને સાથળ તાંબાનાં, પગ લોખંડના અને પગના પંજાનો થોડો ભાગ લોખંડ તથા થોડો ભાગ પકવેલી માટીનો હતો. તમે તે જોઈ રહ્યા હતા એટલામાં તો કોઈના પણ સ્પર્શ વિના પર્વતમાંથી છૂટા પડેલા એક મોટા પથ્થરે મૂર્તિના લોખંડ અને પકવેલી માટીના બનેલા પગના પંજા પર પ્રહાર કરી તેના ચૂરેચૂરા કરી નાખ્યા. તરત જ લોખંડ, માટી, તાંબુ, ચાંદી અને સોનું ભાંગીને ભૂકો થઈ ગયાં અને ઉનાળામાં ખળાની ધૂળ જેવા બની ગયાં. પવનથી એ બધું એવું ઊડી ગયું કે એનું નામનિશાન રહ્યું નહિ. પણ પેલો પથ્થર મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. “એ સ્વપ્ન હતું. હે રાજા, હવે હું તેનો અર્થ જણાવીશ. નામદાર, આપ રાજાઓમાં સૌથી મહાન છો. આકાશના ઈશ્વરે તમને સામ્રાજ્ય, સત્તા, સામર્થ્ય અને સન્માન આપ્યાં છે. તેમણે તમને પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર તથા બધાં પ્રાણીઓ તથા પક્ષીઓ પર અધિકાર આપ્યો છે. તમે જ પેલું સોનાનું માથું છો. આપના પછી આપના સામ્રાજ્ય કરતાં ઊતરતું એવું સામ્રાજ્ય આવશે. તે પછી ત્રીજું સામ્રાજ્ય તાંબાનું આવશે, જે સમગ્ર પૃથ્વી પર શાસન ચલાવશે. તે પછી ચોથું લોખંડના જેવું મજબૂત સામ્રાજ્ય આવશે. લોખંડ જેમ બધાનો ભાંગીને ભૂકો કરે છે છે તેમ તે અગાઉનાં બધાં સામ્રાજ્યોનો ભૂકો બોલાવશે અને તેમને કચડી નાખશે. આપે જોયું હતું કે પગના પંજાનો અને આંગળાંનો ભાગ થોડો પકવેલી માટીનો અને થોડો લોખંડનો હતો. એનો અર્થ એ છે કે એ સામ્રાજ્ય વિભાજિત હશે. માટીની સાથે લોખંડનું મિશ્રણ હોવાથી તેમાં થોડી લોખંડી તાક્ત પણ હશે. પગનાં આંગળાંનો કેટલોક ભાગ માટીનો તો કેટલોક લોખંડનો હતો. અર્થાત્ સામ્રાજ્યનો કેટલોક ભાગ બળવાન તો કેટલોક ભાગ નબળો હશે. આપે જોયું હતું કે લોખંડ માટીમાં ભળેલું હતું. એનો અર્થ એ છે કે એ સામ્રાજ્યના શાસકો અંદરોઅંદરનાં લગ્નોથી તેમનાં કુટુંબોને એક કરવાનો પ્રયાસ કરશે; પણ જેમ લોખંડ માટી સાથે એક થતું નથી તેમ તેઓ એક થઈ શકશે નહિ. એ શાસકોના સમયમાં આકાશના ઈશ્વર એક રાજયની સ્થાપના કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજયોનો વિનાશ કરશે અને તે સદા સર્વદા કાયમ રહેશે. કોઈના પણ સ્પર્શ વિના પર્વતમાંથી છૂટા પડી ગયેલા પથ્થરે પેલી લોખંડ, તાંબુ, માટી, ચાંદી, અને સોનાની મૂર્તિનો ભાંગીને ભૂક્કો કર્યો તે આપે જોયું હતું. મહાન ઈશ્વરે ભવિષ્યમાં જે બનવાનું છે તે આપ નામદારને બતાવ્યું છે. આપને આવેલું સ્વપ્ન ચોક્કસ અને તેનો અર્થ સાચો છે.” ત્યારે નબૂખાદનેસ્સાર રાજા દાનિયેલને પગે પડયો અને તેણે દાનિયેલ આગળ અર્પણો અને સુગંધી ધૂપ ચઢાવવાની આજ્ઞા કરી. રાજાએ કહ્યું, “તેં મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવ્યો તે પરથી હું જાણું છું કે તારા ઈશ્વર સર્વ દેવો કરતાં મહાન છે, તે રાજાઓના પ્રભુ છે. વળી, તે રહસ્યો ખોલનાર છે.” ત્યાર પછી રાજાએ દાનિયેલને ઉચ્ચ હોદ્દો અને ઘણી ભવ્ય બક્ષિસો આપ્યાં. તેણે દાનિયેલને બેબિલોન પ્રાંતનો અધિકારી તથા રાજ્યના બધા જ્ઞાનીઓનો મુખ્ય અધિકારી બનાવ્યો. દાનિયેલની વિનંતીથી રાજાએ શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બેબિલોન પ્રાંતના વહીવટર્ક્તા બનાવ્યા. પણ દાનિયેલ તો રાજદરબારમાં રહ્યો. નબૂખાદનેસ્સાર રાજાએ આશરે સત્તાવીસ મીટર ઊંચી અને ત્રણ મીટર પહોળી એવી સુવર્ણમૂર્તિ બનાવડાવી અને તેને બેબિલોન પ્રાંતના દૂરાના મેદાનમાં ઊભી કરાવી. પછી નબૂખાદનેસ્સાર રાજાએ ઊભી કરાવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવા માટે તેણે રાજકુંવરો, રાજ્યપાલો, નાયબ રાજ્યપાલો, દરબારીઓ, ખજાનચીઓ, અમલદારો, ન્યાયાધીશો અને પ્રાંતોના બાકીના સર્વ અધિકારીઓને એકત્ર થવાનો હુકમ કર્યો. બધા અધિકારીઓ મૂર્તિની પ્રતિષ્ઠા કરવા એકત્ર થયા અને મૂર્તિની સમક્ષ ઊભા રહ્યા. ત્યારે છડી પોકારનારે મોટે અવાજે કહ્યું, “હે સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાના લોકો, તમે રણશિંગડાંના નાદ પછી વાંસળી, વીણા, સિતાર, સારંગી, મોરલી વિગેરે સર્વ પ્રકારનાં વાંજિત્રોનો નાદ સાંભળો કે તરત તમારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને નબૂખાદનેસ્સાર રાજાએ બનાવેલી મૂર્તિની પૂજા કરવી. જે કોઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને તેની પૂજા નહિ કરે, તેને તે જ પળે ભડભડતી અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. તેથી રણશિંગડાંના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, સારંગી, મોરલી વિગેરે સર્વ પ્રકારનાં વાંજિત્રોનો નાદ સાંભળતાની સાથે જ સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાના લોકોએ નબૂખાદનેસ્સાર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરી. એ જ વખતે કેટલાક બેબિલોન- વાસીઓએ યહૂદીઓ પર આક્ષેપ મૂકવાની તક ઝડપી લીધી. તેમણે નબૂખાદનેસ્સાર રાજાને કહ્યું, “હે રાજા, અમર રહો. આપનો હુકમ છે કે વાજિંત્રો વાગે ત્યારે બધાએ સુવર્ણમૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરવી, અને તે પ્રમાણે નહિ કરનારને અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. આપે બેબિલોન પ્રાંત પર નીમેલા યહૂદી અધિકારીઓ એટલે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો આપના હુકમનો અનાદર કરે છે. તેઓ આપના દેવની કે આપે પ્રતિષ્ઠિત કરેલી સુવર્ણમૂર્તિની પૂજા કરતા નથી.” એ સાંભળીને રાજા ક્રોધથી ભભૂકી ઊઠયો અને એ ત્રણે માણસોને પોતાની સમક્ષ હાજર કરવાનો હુકમ કર્યો. તેણે તેમને કહ્યું, “હે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો, શું તમે ઇરાદાપૂર્વક મારા દેવની કે મેં પ્રતિષ્ઠિત કરેલી સુવર્ણમૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરતા નથી? તો હવે જ્યારે તમે રણશિંગડાના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, મોરલી વિગેરે સર્વ વાજિંત્રો વાગતાં સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરજો. જો તમે તેમ નહિ કરો તો તમને તરત જ અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. શું તમે એમ માનો છો કે મારા હાથમાંથી તમને બચાવી શકે એવો કોઈ દેવ છે?” શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોએ જવાબ આપ્યો. “હે રાજા, અમે અમારા બચાવપક્ષે કંઈ કહેવા માગતા નથી. જેની ઉપાસના અમે કરીએ છીએ એ અમારા ઈશ્વર અમને અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાંથી અને તમારા હાથમાંથી પણ બચાવવાને સમર્થ છે, અને તે બચાવશે પણ ખરા. છતાં જો તે ન બચાવે તો પણ હે રાજા, આપ જાણી લો કે અમે આપના દેવની કે આપે સ્થાપેલી સુવર્ણમૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરવાના નથી.” ત્યારે નબૂખાદનેસ્સારને રોમેરોમ ગુસ્સો વ્યાપી ગયો અને શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો પરના ક્રોધથી તેનો ચહેરો લાલચોળ બની ગયો. તેણે ભઠ્ઠીને હમેશ કરતાં સાત ગણી વધારે તપાવવાનો હુકમ કર્યો. વળી, પોતાના સૈન્યમાંના સૌથી બળવાન માણસોને આજ્ઞા કરી કે તેઓ એ ત્રણે જણને બાંધીને અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખે. તેથી તેમણે તેમને લેંઘા, ઝભ્ભા, પાઘડી અને બીજા બધાં વસ્ત્રો સહિત બાંધીને ભઠ્ઠીમાં નાખ્યા. રાજાએ સખત આજ્ઞા કરી ભઠ્ઠીને અતિશય તપાવડાવી હતી એટલે તેમને ભઠ્ઠીમાં નાખનાર સૈનિકો જ અગ્નિની જવાળોથી સળગી મર્યા. શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો બાંધેલી હાલતમાં જ ભઠ્ઠીની વચ્ચોવચ્ચ પડયા. નબૂખાદનેસ્સાર આશ્ર્વર્યચકિત થઈને એકદમ ઊભો થઈ ગયો. તેણે પોતાના અધિકારીઓને પૂછયું, “શું આપણે ત્રણને જ અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા નહોતા?” તેમણે જવાબ આપ્યો, “હે રાજા, એ સાચું છે.” તેણે પૂછયું, “તો પછી હું ભઠ્ઠીમાં ચાર જણને ફરતા કેમ જોઉં છું? તેઓ બાંધેલા નથી કે નથી તેમને કંઈ ઈજા થઈ. વળી, ચોથાનું સ્વરૂપ તો ઈશ્વરપુત્ર જેવું લાગે છે.” તેથી નબૂખાદનેસ્સારે ભઠ્ઠીના પ્રવેશદ્વાર પાસે જઈને બૂમ પાડી, “હે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો, સર્વોચ્ચ ઈશ્વરના સેવકો, બહાર આવો.” તેથી તેઓ તરત બહાર આવ્યા. રાજાના બધા રાજકુંવરો, રાજ્યપાલો, નાયબ રાજ્યપાલો અને બીજા અધિકારીઓ એ ત્રણેને જોવા એકત્ર થઈ ગયા. તેમને અગ્નિથી કંઈ ઇજા થઈ નહોતી. ન તો તેમના વાળ કે વસ્ત્રો બળ્યાં હતાં કે ન તો તેમના શરીર પર ધૂમાડાની કંઈ વાસ હતી. રાજાએ કહ્યું, “શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વરની સ્તુતિ કરો. તેઓ તેમના પર ભરોસો રાખી તેમની સેવા કરે છે એટલે ઈશ્વરે દૂત મોકલીને તેમને બચાવ્યા છે. પોતાના ઈશ્વર સિવાય અન્ય દેવોની આગળ નમન કરીને આરાધના કરવા કરતાં તેમણે મારા આદેશનો અનાદર કરીને પોતાના જીવ જોખમમાં નાખ્યા. “હવે મારું ફરમાન છે કે કોઈપણ રાષ્ટ્ર, પ્રજા કે ભાષાનો માણસ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોના ઈશ્વર વિરુદ્ધ બોલશે તો તેના અંગેઅંગના ટુકડેટુકડા કરવામાં આવશે અને તેનું ઘર ખંડિયેર બનાવી દેવાશે. આ રીતે બચાવી શકે એવો બીજો કોઈ ઈશ્વર છે જ નહિ.” તે પછી રાજાએ શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને બેબિલોન પ્રાંતમાં ઉચ્ચ પદવી પર બઢતી આપી. નબૂખાદનેસ્સાર રાજાએ દુનિયાના બધાં રાષ્ટ્ર, પ્રજા અને ભાષાના લોકો પર આ પ્રમાણેનો સંદેશ મોકલ્યો: “તમારું કલ્યાણ થાઓ! સર્વોચ્ચ ઈશ્વરે મારા પ્રતિ જે અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો કરીને મને પ્રતીતિ કરાવી છે તે વિષે સાંભળો: ઈશ્વરનાં અદ્‍ભુત કાર્યો કેવાં મહાન છે! તેમના ચમત્કારો કેવા પરાક્રમી છે! ઈશ્વર તો સનાતન રાજા છે; તે યુગાનુયુગ રાજ કરશે. “હું મારા રાજમહેલમાં એશઆરામથી રહેતો હતો અને ભારે વૈભવ માણતો હતો. પણ મને એક ધ્રુજાવી દેનાર સ્વપ્ન આવ્યું અને ઊંઘમાં ભયાનક દર્શનો થયાં. મેં બેબિલોનના સર્વ જ્ઞાનીઓને સ્વપ્નનો અર્થ સમજાવવા બોલાવ્યા. એટલે બધા ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષો આવ્યા. મેં તેમને મારું સ્વપ્ન જણાવ્યું, પણ તેઓ તેનો ખુલાસો આપી શક્યા નહિ. તે પછી દાનિયેલ આવ્યો. (મારા દેવના નામ પરથી તે બેલ્ટશાસ્સાર તરીકે પણ ઓળખાય છે.) તેનામાં પવિત્ર ઈશ્વરનો આત્મા હોવાથી મેં તેને મારું સ્વપ્ન જણાવ્યું. મેં તેને કહ્યું, હે બેલ્ટશાસ્સાર, ભવિષ્યવેત્તાઓમાં મુખ્ય, હું જાણું છું કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા હોવાથી તને સર્વ રહસ્યો સમજાય છે. આ મારું સ્વપ્ન છે; મને તેનો અર્થ જણાવ: “હું ઊંઘમાં હતો ત્યારે મને દર્શન થયું. મેં જોયું તો પૃથ્વીના મધ્યભાગમાં એક વિશાળ વૃક્ષ હતું. તે વૃદ્ધિ પામતું ગયું ને છેક આકાશ સુધી ઊંચે વયું, તેથી તે દુનિયાના દરેક સ્થળેથી જોઈ શક્તું હતું. તેનાં પાંદડાં સુંદર હતાં. દુનિયામાં સૌને માટે પૂરતાં થાય એટલાં ફળથી તેની ડાળીઓ લચી પડી હતી. વન્ય પ્રાણીઓ તેની છાયામાં આરામ લેતાં, પક્ષીઓ તેની ડાળ પર માળા બાંધતાં અને સર્વ સજીવો તેનાં ફળ ખાતાં. “હું એ દર્શન વિષે વિચારતો હતો ત્યારે એક જાગૃત અને સાવધ રહેનાર દૂત આકાશમાંથી ઊતરી આવ્યો. તેણે મોટા અવાજે જાહેરાત કરી: ‘વૃક્ષને કાપી નાખો, તેની ડાળીઓ તોડી પાડો, તેનાં પાંદડાં તોડી નાખો ને ફળ વિખેરી નાખો. તેની છાયામાં વસતાં પ્રાણીઓ અને તેની ડાળીઓમાં રહેતાં પક્ષીઓને હાંકી કાઢો. પણ ઠૂંઠાને જમીનમાં રહેવા દઈ તેને લોખંડ તથા તાંબાની સાંકળથી બાંધી દો. તેને ત્યાં ઘાસમાં જ રહેવા દો. ‘હવે એ માણસ પર ઝાકળ પડવા દો. તેને પ્રાણીઓ અને ઘાસની સાથે રહેવા દો. તેનું માનવી મન બદલાઈ જશે; તેને પશુનું દિલ અપાશે; એમ સાત વર્ષ વીતશે. આ તો જાગૃત અને સાવધ રહેનાર દૂતોનો નિર્ણય છે; જેથી સર્વ માણસો જાણે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે. વળી, પોતાની પસંદગી પ્રમાણે તે ચાહે તો સૌથી નીચલી પાયરીના માણસોને પણ એ રાજ્યો આપે છે.’ નબૂખાદનેસ્સાર રાજાએ કહ્યું, “આ મારું સ્વપ્ન છે. હે બેલ્ટશાસ્સાર, હવે મને તેનો અર્થ કહે. મારા રાજ્યનો કોઈ જ્ઞાની એનો અર્થ જણાવી શકયો નથી. પણ તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા હોવાથી તું તેનો અર્થ કહી શકીશ.” એ સાંભળીને દાનિયેલ જે બેલ્ટશાસ્સાર પણ કહેવાય છે, પોતાના મનના વિચારોથી એવો ગભરાઈ ગયો કે કેટલીક વાર સુધી તો તે કંઈ બોલી શકયો નહિ. રાજાએ તેને કહ્યું, “હે બેલ્ટશાસ્સાર, સ્વપ્ન કે તેનો સંદેશ જણાવતાં ગભરાઈશ નહિ.” બેલ્ટશાસ્સારે જવાબ આપ્યો, “હે રાજા, સ્વપ્ન તથા તેનો અર્થ તમને નહિ, પણ તમારા દુશ્મનોને લાગુ પડો! દુનિયામાં સૌને દેખાય તેવું આકાશ સુધી ઊંચું વધેલું મોટું વૃક્ષ હતું. તેનાં પાંદડાં સુંદર હતાં અને આખી દુનિયાનું પોષણ થાય એટલાં તેનાં ફળ હતાં. વન્ય પ્રાણીઓ તેની છાયામાં આરામ લેતાં અને પક્ષીઓ તેની ડાળીઓ પર પોતાના માળા બાંધતાં. “હે રાજા, એ ઊંચું અને મજબૂત વૃક્ષ તો તમે જ છો. તમારી મહાનતા આકાશ સુધી પહોંચી છે અને સમગ્ર દુનિયા પર તમારી સત્તા છે. તમે જોતા હતા ત્યારે આકાશમાંથી એક દૂતે આવીને કહ્યું, ‘વૃક્ષ કાપી નાખો અને તેનો નાશ કરો, પણ તેનું ઠૂંઠું જમીનમાં રહેવા દઈ તેને લોખંડ અને તાંબાની સાંકળથી બાંધી દો અને તેને ખેતરમાં ઘાસની સાથે પડી રહેવા દો. આ માણસ પર ઝાકળ પડવા દો. અને ત્યાં તેને પ્રાણીઓ સાથે સાત વર્ષ રહેવા દો.’ “હે રાજા, આ તો તમારા પર જે વીતવાનું છે તે તમને સર્વોચ્ચ ઈશ્વરે જણાવ્યું છે, સ્વપ્નનો અર્થ આ છે: તમને માનવસમાજમાંથી હાંકી કાઢવામાં આવશે અને તમે વન્ય પ્રાણીઓ સાથે વસશો. સાત વર્ષ સુધી તમે બળદની જેમ ઘાસ ખાશો. ત્યાં તમે આકાશના ઝાકળથી પલળશો. ત્યારે તમે કબૂલ કરશો કે સર્વ માનવરાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વર સત્તા ધરાવે છે. દૂતે ઠૂંઠાને જમીનમાં રહેવા દેવાનો હુકમ કર્યો હતો. એનો એ અર્થ છે કે ઈશ્વર સમસ્ત દુનિયા પર રાજ કરે છે એવું તમે કબૂલ કરો તે પછી તમે ફરીથી રાજા બનશો. તો હે રાજા, મારી સલાહ માનો. પાપથી પાછા ફરો, સદાચારથી વર્તો અને જુલમપીડિતો પ્રત્યે દયા દર્શાવો; જેથી તમારી સ્વસ્થતા લાંબો સમય જળવાઈ રહે.” એ બધું નબૂખાદનેસ્સારના સંબંધમાં બન્યું. એક વર્ષ પછી તે બેબિલોનના તેના રાજમહેલની અગાસીમાં ફરતો હતો. તે વખતે તે બોલ્યો, “બેબિલોન કેવું મહાન છે! મારી સત્તા અને સામર્થ્ય તેમ જ મારું ગૌરવ તથા પ્રતાપ પ્રગટ કરવા મેં એને મારા પાટનગર તરીકે બાંધ્યું છે.” હજુ તો રાજાના મુખમાં એ શબ્દો હતા તેવામાં આકાશમાંથી વાણી સંભળાઈ, “હે નબૂખાદનેસ્સાર રાજા, મારું કહેવું સાંભળ. તારી પાસેથી રાજ્યાધિકાર લઈ લેવામાં આવ્યો છે. તને માનવ સમાજમાંથી હાંકી કાઢવામાં આવશે. સાત વર્ષ સુધી તું વન્ય પ્રાણીઓ મધ્યે વસશે અને બળદની જેમ ઘાસ ખાશે ત્યારે તું કબૂલ કરશે કે સર્વોચ્ચ ઈશ્વર માનવી રાજ્યો પર સત્તા ધરાવે છે અને પોતે ચાહે તેને તે આપે છે.” તરત જ એ શબ્દો સાચા પડયા. નબૂખાદનેસ્સારને જનસમાજમાંથી હાંકી કાઢવામાં આવ્યો અને તેણે બળદની જેમ ઘાસ ખાધું. તેના શરીર પર ઝાકળ પડયું અને તેના વાળ ગરુડનાં પીછાં જેવા વધી ગયા અને તેના નખ પક્ષીના પંજા જેવા થઈ ગયા. રાજાએ કહ્યું, “સાત વર્ષ પૂરાં થયાં ત્યારે મેં આકાશ તરફ જોયું. એટલે મારી સમજશક્તિ પાછી આવી. મેં સદાકાળ જીવનાર સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરી અને તેમને માન તથા મહિમા આપ્યાં. “તે સદાકાળ રાજ કરે છે, અને તેમનું રાજ્ય કાયમ ટકે છે. તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તુચ્છ છે; આકાશી દૂતો અને પૃથ્વીના લોકો તેમના નિયંત્રણ હેઠળ છે. કોઈ તેમની ઇચ્છાનો વિરોધ કરી શકતું નથી કે તેમનાં કાર્યો અંગે કોઈ પ્રશ્ર્ન ઉઠાવી શકતું નથી. “મારામાં સમજશક્તિ પાછી આવી એટલે મને મારી પ્રતિષ્ઠા, મારો પ્રતાપ અને મારો રાજવૈભવ પાછાં મળ્યાં. મારા અધિકારીઓ અને પ્રધાનોએ મારો આવકાર કર્યો અને અગાઉના કરતાં વિશેષ માનથી મારો રાજ્યાધિકાર મને પાછો સોંપ્યો. “હવે હું નબૂખાદનેસ્સાર આકાશના ઈશ્વરની સ્તુતિ કરું છું અને તેમને માનમહિમા આપું છું. તેમનાં કાર્યો યથાર્થ અને માર્ગો ન્યાયી છે. તે ગર્વથી વર્તનારને નીચો પાડે છે.” એક રાત્રે બેલ્શાસ્સાર રાજાએ પોતાના હજાર ઉમરાવોને ભોજન સમારંભમાં આમંત્રણ આપ્યું, અને તેમણે સાથે મળીને દ્રાક્ષાસવ પીધો. તેઓ દ્રાક્ષાસવ પી રહ્યા હતા ત્યારે બેલ્શાસ્સારે તેના પિતા નબૂખાદનેસ્સારે યરુશાલેમના મંદિરમાંથી લૂંટી લાવેલા સોનારૂપાના પ્યાલા અને વાટકાઓ લઈ આવવા આજ્ઞા કરી. રાજા પોતે, તેના ઉમરાવો, તેની પત્નીઓ અને ઉપપત્નીઓ તેમાં દ્રાક્ષાસવ પીએ માટે તે મંગાવ્યા. સોનાના પ્યાલા અને વાટકાઓ તરત જ લાવવામાં આવ્યા અને તેમણે તેમાં દ્રાક્ષાસવ પીધો. વળી, તે પછી તેમણે સોનું, ચાંદી, તાંબું, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલા દેવદેવીઓની સ્તુતિ કરી. એકાએક માણસના હાથનો પંજો દેખાયો અને તેણે દીપવૃક્ષની પાસેની રાજમહેલની દીવાલ પર જવલંત પ્રકાશમાં લખવા માંડયું. રાજાએ લેખ લખતા હાથનો પંજો જોયો. રાજાનો ચહેરો ઉદાસ થઈ ગયો. અને તે એટલો ગભરાયો કે તેના ધૂંટણો ધ્રૂજવા લાગ્યા. તેણે બૂમ પાડી કે જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષોને અંદર બોલાવો. તેઓ અંદર આવ્યા એટલે રાજાએ તેમને કહ્યું, “જે કોઈ આ લેખ વાંચશે અને મને તેનો અર્થ કહેશે તેને હું જાંબુઆ વસ્ત્ર અને ગળામાં સોનાનો હાર પહેરાવીશ અને તે રાજ્યમાં ત્રીજું સ્થાન ભોગવશે.” રાજ્યના જ્ઞાનીઓ આગળ આવ્યા પણ તેમાંનો કોઈ ન તો લેખ વાંચી શકયો કે ન તો રાજાને તેનો અર્થ કહી શકયો. ત્યારે બેલ્શાસ્સાર રાજા ખૂબ ગભરાયો અને વધારે ઉદાસ થઈ ગયો, અને તેના ઉમરાવોને શું કરવું તેની સમજ પડી નહિ. રાજા અને તેના ઉમરાવોનો કોલાહલ સાંભળીને રાજમાતા ભોજનખંડમાં આવી પહોંચી. તેણે કહ્યું, “હે રાજા, અમર રહો! વિહ્વળ કે ઉદાસ બનશો નહિ. તમારા રાજ્યમાં એક વ્યક્તિ છે જેનામાં પવિત્ર દેવનો આત્મા વસે છે. તમારા પિતાના અમલ દરમ્યાન તેનામાં બુદ્ધિ, સમજશક્તિ અને દૈવી જ્ઞાન માલૂમ પડયાં હતાં. તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ તેને ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષોમાં મુખ્ય બનાવ્યો હતો. તેનામાં અસાધારણ આવડત છે અને સ્વપ્નોનું અર્થઘટન કરવામાં, કોયડાઓ ઉકેલવામાં અને રહસ્યોનો ખુલાસો કરવામાં તે જ્ઞાની અને પારંગત છે. તેથી એ માણસ દાનિયેલ, જેનું રાજાએ બેલ્ટશાસ્સાર એવું નામ પાડયું હતું, તેને બોલાવડાવો અને તે તમને આ બધાનો ખુલાસો કરશે. તરત જ દાનિયેલને રાજાની સમક્ષ લાવવામાં આવ્યો. રાજાએ તેને પૂછયું, “મારા પિતા યહૂદિયામાંથી જે કેદીઓને પકડી લાવ્યા હતા તેમાંનો દાનિયેલ તે તું છે? મેં સાંભળ્યું છે કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા વસે છે અને તારામાં આવડત, જ્ઞાન અને બુદ્ધિશક્તિ છે. મેં વિદ્વાનો અને જાદુગરોને લેખ વાંચી તેનો અર્થ જણાવવા બોલાવ્યા હતા, પણ તેઓ મને તેનો અર્થ બતાવી શક્યા નથી. મેં સાંભળ્યું છે કે તું રહસ્યોનો ખુલાસો કરી શકે છે. તેથી જો તું આ લેખ વાંચીને મને તેનો અર્થ જણાવીશ તો તને જાંબુઆ વસ્ત્ર અને ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવશે અને રાજ્યમાં તને ત્રીજું સ્થાન અપાશે.” દાનિયેલે જવાબ આપ્યો, “આપની બક્ષિસો આપની પાસે જ રહેવા દો અથવા તે કોઈ બીજાને આપો. તેમ છતાં હે રાજા, હું લેખ વાંચીને તમને તેનો અર્થ જણાવીશ. સર્વોચ્ચ ઈશ્વરે આપના પિતા નબૂખાદનેસ્સારને રાજ્ય, મહત્તા, મહિમા તથા પ્રતાપ આપ્યાં હતાં. તેમની મહત્તા એવી હતી કે સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાઓ બોલનાર લોકો તેમનાથી ગભરાતા અને કાંપતા. તે ચાહે તેને મારતા અને ચાહે તેને જીવાડતા. ચાહે તેને માન આપતા અને ચાહે તેનું અપમાન કરતા. પણ તે ગર્વિષ્ઠ, જિદ્દી અને ક્રૂર બન્યા એટલે તેમને રાજગાદી પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને તેમણે પોતાનું સન્માનનીય સ્થાન ગુમાવ્યું. તેમને માનવસમાજમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેમનું દિલ પશુના દિલ જેવું થઈ ગયું. તે વન્ય ગધેડાઓ મધ્યે વસ્યા અને તેમણે બળદની જેમ ઘાસ ખાધું. તે જમીન પર ખુલ્લામાં સૂઈ જતા અને તેમના પર ઝાકળ પડયું. છેવટે તેમણે કબૂલ કર્યું કે બધાં માનવી રાજ્યો પર સર્વોચ્ચ ઈશ્વરની સત્તા છે અને તે ચાહે તેને તે આપે છે. “પણ આ બધું જાણતા હોવા છતાં તમે તેમના પુત્ર નમ્ર બન્યા નથી. તમે આકાશના પ્રભુની વિરુદ્ધ વર્ત્યા છો. તેમના મંદિરમાંથી લાવવામાં આવેલા પ્યાલા અને વાટકાઓમાં તમે, તમારા ઉમરાવોએ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓએ દ્રાક્ષાસવ પીધો છે, અને જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે કંઈ સમજી શકે નહિ એવાં સોના, ચાંદી, તાંબુ, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલાં દેવદેવીઓની સ્તુતિ કરી છે. પણ જેમના હાથમાં તમારા જીવન-મરણનો નિર્ણય છે અને જે તમારાં સર્વ કાર્યોનું નિયંત્રણ કરે છે એવા ઈશ્વરને તમે માન આપ્યું નથી. એટલા જ માટે ઈશ્વરે આ લેખ લખવા પેલા પંજાને મોકલ્યો છે. “લેખ આ પ્રમાણે છે: મેને, મેને, તકેલ, ઉફાર્સીન.” તેનો અર્થ આ પ્રમાણે છે: મેને એટલે ગણતરી. ઈશ્વરે તમારા રાજ્યના દિવસોની ગણતરી કરી છે અને તેનો અંત આણ્યો છે. તકેલ એટલે વજન. તમે ત્રાજવામાં તોળાયા છો અને તોલમાં તમે બહુ હલકા જણાયા છો. પેરેસ એટલે ભાગલા. તમારા રાજ્યના વિભાગ પાડી દેવામાં આવ્યા છે અને તે માદીઓ અને ઇરાનીઓને આપવામાં આવ્યા છે.” બેલ્શાસ્સારે તરત જ હુકમ કર્યો કે દાનિયેલને જાંબુઆ વસ્ત્ર પહેરાવવામાં આવે અને ગળામાં સોનાનો હાર પહેરાવી તેનું સન્માન કરવામાં આવે. વળી, રાજાએ તેને રાજ્યમાં ત્રીજું સ્થાન આપ્યું. તે જ રાત્રે બેબિલોનનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો. તેની જગ્યાએ બાસઠ વર્ષના માદી દાર્યાવેશે રાજ્યાધિકાર ધારણ કર્યો. દાર્યાવેશે સમગ્ર સામ્રાજ્ય ઉપર એક્સો વીસ રાજ્યપાલો નીમવાનું નક્કી કર્યું. એમના પર તેણે ત્રણ પ્રમુખ અધિકારીઓ રાખ્યા, જેથી રાજાને કંઈ નુક્સાન થાય નહિ. રાજ્યપાલો અને પોતાના બે સાથી અધિકારીઓ કરતાં દાનિયેલનું કાર્ય વિશેષ સારું હતું. તે સૌથી વિશેષ કાબેલ હોવાથી રાજા તેને સમસ્ત સામ્રાજ્યનો અધિકારી બનાવવા વિચારતો હતો. તેથી બીજા સાથી અધિકારીઓ અને રાજ્યપાલો દાનિયેલના રાજ્યવહીવટમાં કોઈક ભૂલ શોધવાનો પ્રયાસ કરતા હતા, પણ તેઓ શોધી શક્યા નહિ. કારણ, દાનિયેલ વિશ્વાસુ હતો અને કંઈ ખોટું કે બિનપ્રામાણિક કામ કરતો નહિ. તેમણે એક બીજાને કહ્યું, “દાનિયેલ પર તેના ધર્મ સિવાયની બીજી કોઈ બાબતમાં આપણે દોષ મૂકી શકીએ તેમ નથી.” તેથી તેઓ તરત જ રાજા પાસે ગયા અને તેને કહ્યું, “હે દાર્યાવેશ રાજા, આપ અમર રહો! આપના રાજયના અમે વહીવટદારોએ એટલે મુખ્ય અધિકારીઓ, રાજ્યપાલો નાયબરાજ્યપાલો અને અન્ય સર્વ અધિકારીઓએ નક્કી કર્યું છે કે આપ એક ફરમાન બહાર પાડો, અને તેનું કડક રીતે પાલન કરાવો. આપ એવો વટહુકમ બહાર પાડો કે ત્રીસ દિવસ સુધી કોઈપણ વ્યક્તિ આપના સિવાય કોઈ દેવ કે માણસને અરજ ગુજારી શકે નહિ. એ હુકમનો જે કોઈ ભંગ કરે તેને સિંહોની ગુફામાં નાખી દેવામાં આવે. તેથી હે રાજા, આપ એ ફરમાન બહાર પાડો અને તેના પર સહી કરો, એટલે એ અમલમાં આવશે. વળી, તે બદલી શકાય નહિ એવો માદી અને ઇરાનીઓનો કાયદો બની રહેશે.” તેથી દાર્યાવેશ રાજાએ એ ફરમાન પર સહી કરી. ફરમાન પર રાજાની સહી થઈ ગઈ છે એની જાણ થતાં દાનિયેલ ઘેર ગયો. તેના ઘરના ઉપલા માળે ઓરડાની બારીઓ યરુશાલેમ તરફ ખુલતી હતી. તે પહેલાં નિયમિત રીતે કરતો હતો તેમ ખુલ્લી બારીઓ આગળ ધૂંટણિયે પડીને તેણે ત્રણવાર ઈશ્વરને પ્રાર્થના કરી. દાનિયેલના દુશ્મનોએ તેને ઈશ્વરને પ્રાર્થના કરતાં જોયો. એટલે તેઓ સૌ સાથે મળીને દાનિયેલ પર દોષ મૂકવા રાજા પાસે તરત જ પહોંચી ગયા. તેમણે કહ્યું, “હે રાજા, ત્રીસ દિવસ સુધી કોઈપણ વ્યક્તિ આપના સિવાય કોઈ દેવ કે માણસને અરજ ગુજારી શકે નહિ, અને જે કોઈ એ ફરમાનનો ભંગ કરે તેને સિંહોની ગુફામાં નાખી દેવામાં આવે એવા ફરમાન પર આપે સહી કરી નહોતી?” રાજાએ જવાબ આપ્યો, “હા, એ સાચું છે અને માદીઓ અને ઇરાનીઓના ક્યદોઓ બદલી શક્તા નથી.” ત્યારે તેમણે રાજાને કહ્યું, “યહૂદિયામાંથી લાવવામાં આવેલ કેદીઓમાંનો દાનિયેલ આપને માન આપતો નથી અને આપના ફરમાનને આધીન થતો નથી. તે દિવસમાં ત્રણવાર નિયમિત રીતે તેના ઈશ્વરની પ્રાર્થના કરે છે.” એ સાંભળીને રાજા ઉદાસ થઈ ગયો. તેણે સૂર્યાસ્ત સુધી દાનિયેલને બચાવવાનો ઉપાય શોધવા પ્રયાસ કર્યો. પણ પેલા માણસોએ આવીને રાજાને કહ્યું, “હે રાજા, આપ જાણો છો કે માદીઓ અને ઇરાનીઓના કાયદા પ્રમાણે રાજાએ બહાર પાડેલું કોઈ ફરમાન બદલી શક્તું નથી.” તેથી રાજાએ હુકમ કર્યો એટલે તેમણે દાનિયેલને લાવીને સિંહોની ગુફામાં નાખ્યો. તે વખતે રાજાએ દાનિયેલને કહ્યું, “તારા ઈશ્વર, જેમની તું વફાદારીપૂર્વક સેવા કરે છે તે તને બચાવો!” ગુફાના પ્રવેશદ્વાર પર એક મોટો પથ્થર મૂકવામાં આવ્યો અને પથ્થર પર રાજાએ પોતાની શાહી મુદ્રા તેમજ તેમના અધિકારીઓએ પણ પોતાની મુદ્રા મારી, એ માટે કે દાનિયેલને કોઈ બચાવી શકે નહિ. પછી રાજા મહેલમાં પાછો ફર્યો. તેણે ન તો કંઈ ભોજન લીધું કે ન કોઈ મનોરંજનમાં ભાગ લીધો, પણ આખી રાત ઊંઘ વિના વિતાવી. વહેલી સવારે ઊઠીને રાજા ઉતાવળે સિંહોની ગુફાએ પહોંચી ગયો. ત્યાં જઈને ખૂબ ચિંતાપૂર્વક તેણે હાંક મારી, “હે દાનિયેલ, જીવતા ઈશ્વરના સેવક, જેમની તું વફાદારીપૂર્વક સેવા કરે છે તે ઈશ્વર શું તને બચાવી શક્યા છે?” દાનિયેલે જવાબ આપ્યો, “હે રાજા, અમર રહો! સિંહો મને કંઈ ઈજા પહોંચાડે નહિ તે માટે ઈશ્વરે પોતાના દૂતને મોકલીને તેમનાં મોં બંધ કર્યાં છે, કારણ, હું તેમની દષ્ટિમાં નિર્દોષ હતો. વળી, હે રાજા, મેં આપનો પણ કંઈ ગુનો કર્યો નથી.” રાજાને ખૂબ આનંદ થયો અને તેણે દાનિયેલને ગુફામાંથી બહાર ખેંચી કાઢવા હુકમ કર્યો. તેમણે તેને બહાર કાઢયો અને જોયું તો તેને કંઈ ઇજા થઈ નહોતી, કારણ, તેણે ઈશ્વર પર ભરોસો રાખ્યો હતો. પછી રાજાએ દાનિયેલ પર આરોપ મૂકનાર સૌની ધરપકડ કરવાનો હુકમ કર્યો અને તેમને તેમની પત્નીઓ અને બાળકો સહિત સિંહોની ગુફામાં નંખાવ્યાં. તેઓ ગુફાના તળિયે પહોંચે તે પહેલાં જ સિંહોએ તરાપ મારીને તેમના હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા. પછી દાર્યાવેશ રાજાએ પૃથ્વીનાં બધાં રાષ્ટ્રો, પ્રજા અને ભાષાના લોકો પર આ પ્રમાણે હુકમ લખી મોકલ્યો: “સૌને શુભેચ્છા! મારા સમસ્ત સામ્રાજ્યમાં સૌ દાનિયેલના ઈશ્વરની બીક રાખે અને તેમનું સન્માન કરે એવી મારી આજ્ઞા છે. ‘તે જીવંત ઈશ્વર છે, અને તે સદાસર્વદા રાજ કરનાર છે. તેમનું રાજ્ય અવિનાશી છે. અને તેમનો રાજ્યાધિકાર અનંત છે. તે બચાવે છે અને તે જ છોડાવે છે. આકાશ અને પૃથ્વી પર તે અદ્‍ભુત કાર્યો અને ચમત્કાર કરે છે. તેમણે દાનિયેલને સિંહોનો ભક્ષ થતાં બચાવ્યો છે.” દાર્યાવેશ અને ઇરાની કોરેશના અમલ દરમ્યાન દાનિયેલ આબાદ થયો. બેબિલોનના રાજા બેલ્શાસ્સારના અમલના પ્રથમ વર્ષે મને સ્વપ્ન આવ્યું અને તે રાત્રે મને દર્શન થયું. મેં તે સ્વપ્ન લખી લીધું અને તે રાત્રે મેં જે જોયું તેનો સાર આ પ્રમાણે છે: ચારે દિશામાંથી સમુદ્ર પર જોરદાર પવનો ફૂંક્તા હતા. એકબીજાથી જુદાં એવાં ચાર મોટાં પ્રાણીઓ સમુદ્રમાંથી નીકળી આવ્યાં. પહેલું પ્રાણી સિંહના જેવું હતું, પણ તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એવામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી. એ પ્રાણીને ઊંચકીને તેને માણસની માફક ઊભું રાખવામાં આવ્યું. તે પછી તેને માનવી મન આપવામાં આવ્યું. બીજું પ્રાણી પંજા પર ઊભા રહેલા રીંછના જેવું હતું. તેના મોંમાં, દાંતની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું, ‘ઊઠ, તારાથી ખવાય એટલું માંસ ખા!’ હું એ જોઈ રહ્યો હતો એવામાં ત્રીજું પ્રાણી દેખાયું. તે ચિત્તાના જેવું દેખાતું હતું, પણ તેની પીઠ પર પક્ષીની પાંખો જેવી ચાર પાંખો હતી. વળી, તેને ચાર માથાં હતાં. તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો. હું જોતો હતો એવામાં ચોથું પ્રાણી દેખાયું. તે શક્તિશાળી, ખતરનાક અને ભયાનક હતું. પોતાના મોટા લોખંડી દાંતથી તે શિકારને ફાડી ખાતું અને પછી પગ તળે તેને છૂંદી નાખતું હતું. પેલાં અન્ય પ્રાણીઓથી એ જુદા પ્રકારનું હતું, કારણ, તેને દસ શિંગડાં હતાં. હું શિંગડાં સામે તાકી રહ્યો હતો એવામાં તેઓ મધ્યે એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. તેણે અગાઉનાં શિંગડાંમાંથી ત્રણને ઉખેડી નાખ્યાં. એ નાના શિંગડાને માનવી આંખો હતી અને ગર્વિષ્ઠ વાતો કરનાર મુખ હતું. હું જોતો હતો એવામાં રાજ્યાસનો ગોઠવવામાં આવ્યાં. તેમાંના એક રાજ્યાસન પર જે પુરાતન છે તે બિરાજમાન થયા. તેમનાં વસ્ત્રો બરફના જેવાં શ્વેત હતાં અને તેમના વાળ ઊન જેવા સફેદ હતા. સળગતાં ચક્રો પર ગોઠવાયેલું તેમનું રાજ્યાસન અગ્નિથી સળગતું હતું. તેમાંથી અગ્નિની જવાળાઓ નીકળતી હતી. હજારો લોકો તેમની સેવામાં હતા અને લાખો લોકો તેમની સમક્ષ ઊભેલા હતા. ન્યાયસભા શરૂ થઈ અને પુસ્તકો ખોલવામાં આવ્યાં. હું જોતો હતો ત્યારે પણ પેલું નાનું શિંગડું હજુ બડાઈ હાંકતું હતું. હું જોયા કરતો હતો એવામાં ચોથા પ્રાણીને મારી નાખવામાં આવ્યું અને તેના શબને અગ્નિમાં બાળી નાખવામાં આવ્યું. બીજાં પ્રાણીઓની સત્તા પણ લઈ લેવામાં આવી પણ તેમને ઠરાવેલી મુદ્દત સુધી જીવતાં રહેવા દેવામાં આવ્યાં. રાત્રિના આ દર્શનમાં મેં માનવપુત્ર જેવા એકને મારી તરફ આવતો જોયો. તે વાદળોથી ઘેરાયેલો હતો. તેને જે પુરાતન છે તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. તેને સત્તા, માન અને અધિકાર આપવામાં આવ્યાં, જેથી સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાઓના લોક તેની સેવા કરે. તેની સત્તા સર્વકાળ ટકશે અને તેના રાજ્યનો કદી અંત આવશે નહિ. દર્શનને લીધે હું ખૂબ વ્યગ્ર અને ભયભીત થઈ ગયો. મેં ત્યાં ઊભા રહેલાઓમાંના એકની પાસે જઈને મને આ બધાનો અર્થ સમજાવવા કહ્યું. એટલે તેણે મને અર્થ જણાવ્યો. તેણે કહ્યું, “આ ચાર મોટાં પ્રાણી તો પૃથ્વી પર સ્થપાનારાં ચાર સામ્રાજ્યો છે. પણ સર્વોચ્ચ ઈશ્વરના લોકો રાજ્યાધિકાર મેળવશે અને તે રાજ્ય સર્વકાળ ટકી રહેશે. તે પછી મારે ચોથા પ્રાણી વિષે વધારે જાણવું હતું. કેમકે એ તો બધાં પ્રાણીઓમાં ભયંકર હતું. પોતાના મોટા લોખંડી દાંતથી અને તાંબા જેવા પંજાથી તે શિકારને ફાડી નાખતું અને પછી તેને પગ તળે છૂંદી નાખતું. બીજાં પ્રાણીઓ કરતાં તે જુદું જ હતું. તેના માથા પર દસ શિંગડાં હતાં. તેઓ મધ્યે એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. તેણે અગાઉનાં શિંગડાંમાંથી ત્રણ ઉખેડી નાખ્યાં. એને માનવીના જેવી આંખો હતી અને બડાઈ હાંકનાર મોં હતું. મારે એમને વિષે પણ જાણવું હતું. હું જોતો હતો ત્યારે એ નાના શિંગડાંએ ઈશ્વરના લોકોની સામે યુદ્ધ કર્યું અને તેમના પર જીત મેળવી. તે પછી જે પુરાતન છે તેમણે આવીને સર્વોચ્ચ ઈશ્વરના લોકોની તરફેણમાં ચુકાદો આપ્યો. ઈશ્વરના લોકો માટે રાજ્યાધિકાર મેળવવાનો સમય આવી પહોંચ્યો હતો. મને આપવામાં આવેલો ખુલાસો આ પ્રમાણે છે: ચોથું પ્રાણી તો પૃથ્વી પર ઊભું થનાર ચોથું સામ્રાજ્ય છે. તે બધાં રાજ્યો કરતાં જુદું થશે, અને સમગ્ર પૃથ્વીને કચડશે અને તેને છૂંદી નાખશે. દસ શિંગડાં તે રાજ્યમાંથી ઊભા થનારા દસ રાજાઓ છે. તે પછી બીજો એક રાજા આવશે. તે અગાઉના બધા રાજાઓ કરતાં જુદો થશે અને તે ત્રણ રાજાઓને પદભ્રષ્ટ કરશે. તે સર્વોચ્ચ ઈશ્વરની વિરુદ્ધ બોલશે અને ઈશ્વરના લોકો પર જુલમ ગુજારશે. તે તેમના ધાર્મિક નિયમો અને પર્વોને બદલી નાખવાનો પ્રયાસ કરશે અને સાડા ત્રણ વર્ષ સુધી ઈશ્વરના લોકો તેની સત્તા નીચે રહેશે. ત્યાર પછી સ્વર્ગીય અદાલત ભરાશે, જે તેનું રાજ્ય લઈ લેશે અને તેનો સંપૂર્ણ નાશ કરશે. પૃથ્વીનાં બધાં રાજ્યોની સત્તા અને મહત્તા સર્વોચ્ચ ઈશ્વરના લોકોને આપવામાં આવશે. તેમનો રાજ્યાધિકાર કાયમ રહેશે અને પૃથ્વીનાં બધાં રાજ્યો તેમને તાબે રહીને તેમની સેવા કરશે.” એ જ સંદર્શનની આખર છે. હું દાનિયેલ મારા મનમાં ઘણો જ ગભરાઈ ગયો તથા ઉદાસ થઈ ગયો, પણ આ બધી વાતો મેં મનમાં રાખી. બેલ્શાસ્સારના અમલને ત્રીજે વર્ષે મને બીજું એક દર્શન થયું. દર્શનમાં હું એકાએક એલામ પ્રાંતના સુસાના મહેલમાં આવી ગયેલો જણાયો. હું ઉલાય નદીને કિનારે ઊભો હતો. ત્યાં નદીની પાસે મેં એક ઘેટો જોયો. તેને બે લાંબાં શિંગડાં હતાં. તેમાંનું એક શિંગડું વધુ લાંબું અને બીજાં કરતાં નવું લાગતું હતું. મેં ઘેટાને પશ્ર્વિમ, ઉત્તર અને દક્ષિણ તરફ શિંગડાં મારતો જોયો. તેને કોઈ પ્રાણી રોકી શકાયું નહિ કે તેની તાક્તનો મુકાબલો કરી શકાયું નહિ. પોતાને ફાવે તેમ તે કરી શક્તો હતો અને તેથી તે ઘમંડી બની ગયો. એનો શો અર્થ હશે તે વિષે હું વિમાસણમાં હતો તેવામાં પશ્ર્વિમમાંથી એક બકરો ખૂબ ઝડપથી ધસી આવ્યો. તેની ઝડપ એટલી હતી કે તેના પગ જમીનને સ્પર્શતા પણ નહોતા. તેની બે આંખો વચ્ચે એક વિશિષ્ટ શિંગડું હતું. નદીની પાસે ઊભેલા પેલા ઘેટા પર તે જોસભેર ત્રાટકયો. મેં તેને ઘેટા પર આક્રમણ કરતો જોયો. બકરો એટલો ગુસ્સે ભરાયેલો હતો કે તેણે ઘેટા પર પ્રહાર કરી તેનાં બન્‍ને શિંગડાં તોડી નાખ્યાં. ઘેટામાં તો સામનો કરવાની કંઈ તાક્ત નહોતી. બકરાએ ઘેટાને જમીન પર પછાડયો અને કચડી નાખ્યો અને ઘેટાને બચાવી શકે એવું કોઈ નહોતું. બકરાનો ઘમંડ વધતો ગયો. પણ તેની ચરમ સત્તાના સમયમાં તેનું શિંગડું ભાગી ગયું, અને તેને સ્થાને ચાર દિશા તરફ ચાર વિશિષ્ટ શિંગડાં ફૂટી નીકળ્યાં. ચારમાંના એક શિંગડામાંથી એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. તેની સત્તા દક્ષિણ તરફ પૂર્વ તરફ અને વચનના દેશ તરફ વિસ્તાર પામી. તે એટલું શક્તિશાળી બન્યું કે તેણે આકાશના તારાઓ, એટલે આકાશના સૈન્ય પર આક્રમણ કર્યું અને તેમાંના કેટલાકને જમીન પર પાડી નાખીને તેમને કચડી નાખ્યા. તેણે આકાશના સૈન્યના અધિપતિનો પણ તિરસ્કાર કર્યો અને તેમને ચડાવતાં રોજિંદાં બલિદાન બંધ કરાવ્યાં અને મંદિરને ભ્રષ્ટ કર્યું. દરરોજનાં નિયત અર્પણો ચડાવવાને બદલે લોકોએ તે જગાએ પાપાચાર કર્યો અને સતધર્મને જમીનદોસ્ત કરી દીધો. પોતાને ફાવે તેમ વર્તવામાં શિંગડું સફળ થયું. ત્યારે મેં એક દૂતને બીજા દૂતને પૂછતાં સાંભળ્યો, “દર્શનમાં જે જે જોયું તે ક્યાં સુધી ચાલુ રહેશે? દરરોજનાં બલિદાનોને બદલે પાપાચાર ક્યાં સુધી ચાલશે? અને આકાશી સૈન્ય અને મંદિરને પગ તળે છૂંદવાનું ક્યાં સુધી ચાલશે?” બીજા દૂતને મેં જવાબ આપતાં સાંભળ્યો, “ત્રેવીસો સવાર અને સાંજ સુધી એ પ્રમાણે ચાલશે. તે પછી મંદિરનું પુન:સ્થાપન થશે.” હું એ દર્શન સમજવાની કોશિષ કરતો હતો એવામાં એકાએક કોઈ મારી સામે આવી ઊભું રહ્યું. મેં ઉલાય નદી તરફથી એક વાણી પોકારતી સાંભળી. “હે ગાબ્રિયેલ, દાનિયેલે જે જોયું છે તેનો તેને અર્થ સમજાવ.” તેથી ગાબ્રિયેલ મારી પાસે આવીને ઊભો રહ્યો. હું એટલો ગભરાઈ ગયો કે જમીન પર પટકાઈ પડયો. તેણે મને કહ્યું, “હે મર્ત્ય માનવ, તેનો અર્થ સમજી લે. દર્શન તો દુનિયાના અંતના સમયનું છે.” તે વાત કરી રહ્યો હતો તેવામાં હું બેભાન બની જમીન પર ઢળી પડયો. પણ તેણે મને પકડીને મારા પગ પર ઊભો કર્યો. તેણે કહ્યું, “ઈશ્વરના કોપનું કેવું પરિણામ આવશે તે હું તને બતાવું છું. દર્શન તો અંતના સમયનું છે. “તેં જોયેલો બે શિંગડાંવાળો ઘેટો તો માદી અને ઇરાનીઓનું રાજ્ય દર્શાવે છે. બકરો ગ્રીસનું રાજ્ય દર્શાવે છે. તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તેનો પ્રથમ રાજા છે. એ શિંગડું ભાંગી ગયા પછી જે ચાર શિંગડાં ફૂટી નીકળ્યાં તે તો એક રાજ્યમાંથી ઊભાં થનાર ચાર રાજ્યો દર્શાવે છે. આ ચાર રાજ્યો પેલા પ્રથમના રાજ્ય જેટલાં ક્યારેય બળવાન થશે નહિ. “એ ચાર રાજ્યોના અંતના સમયે અને જ્યારે તેમની દુષ્ટતાને લીધે તેમને શિક્ષા થશે ત્યારે ગર્વિષ્ઠ, ડરામણો અને કપટી રાજા ઊભો થશે. તે ખૂબ જ બળવાન થશે, પણ તે પોતાની સત્તાથી નહિ. તે ભયંકર વિનાશ કરશે અને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તીને સફળ થશે. તે સામર્થ્યવાન લોકો તેમ જ ઈશ્વરના લોકોનો વિનાશ કરશે. ચાલાક હોવાથી તે છળકપટમાં સફળ થશે. પોતે ગર્વિષ્ઠ હોવાથી અગાઉથી ચેતવણી આપ્યા વિના જ ઘણાને મારી નાખશે. વળી, તે સૌથી મહાનમાં મહાન રાજાનો પણ તિરસ્કાર કરશે, પણ માનવ તાક્તના ઉપયોગ વિના તેનો નાશ કરવામાં આવશે. સાંજ અને સવારનાં અર્પણો વિષેનું આ દર્શન તને સમજાવ્યા પ્રમાણે સાચું પડશે. પણ હમણાં તેને ગુપ્ત રાખ, કારણ, તે દર્શન ઘણા લાંબા સમય પછી પૂર્ણ થવાનું છે.” હું હતાશ થઈ ગયો અને ઘણા દિવસો સુધી બીમાર રહ્યો. તે પછી હું ઊઠીને રાજાએ સોંપેલું કામ કરવા લાગ્યો, પણ દર્શનથી હું વિમાસણમાં પડી ગયો હતો અને હું તેને સમજી શકયો નહિ. અહાશ્વેરોશનો પુત્ર માદી દાર્યાવેશ બેબિલોન પર રાજ કરતો હતો. તેના રાજ્યકાળના પ્રથમ વર્ષે હું ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો અને પ્રભુએ યર્મિયા સંદેશવાહકને જણાવ્યું હતું તે પ્રમાણે યરુશાલેમ સિત્તેર વર્ષ સુધી ખંડિયેર હાલતમાં રહેશે એ વિષે વિચારતો હતો. મેં ઉપવાસ સહિત તાટ પહેરીને અને રાખમાં બેસીને પ્રભુ ઈશ્વરને આગ્રહપૂર્વક વિનંતી કરી. મેં પ્રભુ મારા ઈશ્વરને પ્રાર્થના કરી અને મારા લોકનાં પાપની કબૂલાત કરી. મેં કહ્યું, “હે પ્રભુ ઈશ્વર, તમે મહાન છો અને અમે તમારું સન્માન કરીએ છીએ. તમે તમારા કરાર વિષે વિશ્વાસુ છો અને તમારા પર પ્રેમ કરનાર અને તમારી આજ્ઞાઓનું પાલન કરનાર સૌ પર તમારો અખંડ પ્રેમ દર્શાવો છો. “અમે તો પાપ કર્યું છે અને દુષ્ટતા આચરી છે. અમે ભૂંડાઈ કરી છે. અમે તમારી આજ્ઞાનો અનાદર કર્યો છે અને તમે દર્શાવેલા સત્યથી વિમુખ થયા છીએ. અમારા રાજાઓ, શાસકો, પૂર્વજો અને સમગ્ર પ્રજાને તમારે નામે બોધ કરનાર તમારા સેવકો એટલે સંદેશવાહકોનું અમે સાંભળ્યું નથી. હે પ્રભુ, તમે હમેશા સાચું જ કરો છો, પણ અમે હમેશા અમારી જાતને કલંક લગાડયું છે. યહૂદિયા અને યરુશાલેમમાં વસનારા તેમ જ તમારા પ્રત્યેના અવિશ્વાસુપણાને લીધે દૂરના કે નજીકના દેશોમાં વિખેરી નંખાયેલા સર્વ ઈઝરાયલીઓ વિષે એ સાચું છે. હે પ્રભુ, અમારા રાજાઓ, શાસકો અને પૂર્વજોએ શરમજનક કૃત્યો કરીને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. અમે તમારી વિરુદ્ધ બળવો પોકાર્યો હોવા છતાં તમે દયાળુ અને ક્ષમાશીલ છો. હે પ્રભુ, અમારા ઈશ્વર, તમારા સેવકો સંદેશવાહકો મારફતે તમે આપેલા નિયમો પ્રમાણે અમારે જીવવું જોઈએ એવું જાણ્યા છતાં અમે તમારું સાંભળ્યું નથી. સર્વ ઇઝરાયલીઓએ તમારા નિયમનો ભંગ કર્યો છે. અને તેઓ તમારા કહેવા પ્રમાણે વર્ત્યા નથી. અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું હોવાથી જ તમારા સેવક મોશેના નિયમશાસ્ત્રમાં લખેલા શાપ અમારા પર ઊતર્યા છે. અમારા પર મોટી આફત લાવીને અમારી અને અમારા શાસકોની સામે તમે તમારી ઉચ્ચારેલી વાણી સાચી પાડી છે. પૃથ્વીનાં બધાં શહેરો કરતાં તમે યરુશાલેમને વધુ સખત સજા કરી છે. મોશેના નિયમશાસ્ત્રમાં લખ્યા મુજબની જ શિક્ષા અમને થઈ છે. તેમ છતાં હે પ્રભુ, અમારા ઈશ્વર, અમે હજુ સુધી અમારાં પાપથી વિમુખ થઈને અને તમારા સત્યને અનુસરીને તમને પ્રસન્‍ન કર્યા નથી. હે પ્રભુ, અમારા ઈશ્વર, તમે હમેશા ન્યાયથી વર્તો છો. અમે તમારું માન્યું નથી તેથી અમને સજા કરવાની તમે તૈયારી રાખી હતી અને યોગ્ય સમયે અમને સજા પણ કરી છે. “હે પ્રભુ, અમારા ઈશ્વર, તમે ઇજિપ્તમાંથી તમારા લોકને છોડાવીને તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું અને હજુ પણ અમે તેને યાદ કરીએ છીએ. અમે પાપ કર્યું છે અને દુષ્ટતા આચરી છે. તમે ભૂતકાળમાં અમારું રક્ષણ કર્યું છે, એટલે હવે યરુશાલેમ પર તમારો ક્રોધ જારી રાખશો નહિ. તે તો તમારું શહેર, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપને લીધે અને અમારા પૂર્વજોની દુષ્ટતાને લીધે આસપાસના દેશોના લોકો યરુશાલેમ તથા તમારા લોકો તરફ તિરસ્કારપૂર્વક જુએ છે. હે ઈશ્વર, મારી પ્રાર્થના અને મારી આજીજી સાંભળો. તમે જ ઈશ્વર છો એવું સૌ કોઈ જાણે માટે તમારા પાડી નંખાયેલા મંદિરનો પુનરોદ્ધાર કરો. હે ઈશ્વર, અમારું સાંભળો. અમારા તરફ દષ્ટિ કરો અને અમારું દુ:ખ તેમજ તમારા નામથી ઓળખાતા શહેરની દુર્દશા જુઓ. અમારાં કોઈ સત્કર્મોને લીધે નહિ, પણ તમારી દયાને આધારે અમે તમને વિનંતી કરીએ છીએ. હે પ્રભુ, અમારું સાંભળો, હે પ્રભુ, અમને ક્ષમા કરો. હે પ્રભુ, અમારી વિનંતી પર લક્ષ આપો અને તેને માન્ય કરો, વિલંબ કરશો નહિ, એટલા માટે કે સૌ કોઈ જાણે કે તમે ઈશ્વર છો અને આ શહેર તથા આ લોક તમારાં છે.” હું પ્રાર્થના કરતો હતો અને મારાં તથા મારા લોક ઇઝરાયલીઓનાં પાપ કબૂલ કરતો હતો. વળી, પ્રભુ મારા ઈશ્વરને તેમના પવિત્ર મંદિરના પુનરોદ્ધાર માટે વિનંતી કરતો હતો. હું પ્રાર્થના કરતો હતો તેવામાં ગાબ્રિયેલ જેને મેં અગાઉના સંદર્શનમાં જોયો હતો, તે ઝડપથી ઊડીને મારી પાસે આવ્યો. એ તો સાંજનું અર્પણ ચડાવવાનો સમય હતો. તેણે કહ્યું, “દાનિયેલ, હું તને ભવિષ્યવચન સમજાવવા માટે આવ્યો છું. ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે. તું ઈશ્વરને પ્રિય હોવાથી હું તેનો જવાબ લઈને આવ્યો છું. હવે હું તને દર્શન સમજાવીશ; તું તે ધ્યનથી સાંભળ. “તારા લોક તથા તારા પવિત્ર શહેરને પાપ અને દુષ્ટતાથી દૂર કરવાની ઈશ્વરની મુદ્દત સાતગણા સિત્તેર વર્ષની છે. પાપ માફ કરવામાં આવશે અને સાર્વકાલિક ન્યાય સ્થાપન કરાશે એટલે દર્શન અને ભવિષ્યકથન સાચાં પડશે અને પવિત્ર મંદિરની પુન:સ્થાપના કરાશે. તેથી આની નોંધ કરી લે અને સમજ: યરુશાલેમને ફરીથી બાંધવાનો હુકમ થાય ત્યારથી ઈશ્વરનો અભિષિક્ત આગેવાન આવે ત્યાં સુધી સાતગણા સાત વર્ષ લાગશે. યરુશાલેમ તેના રસ્તાઓ અને મજબૂત કિલ્લાઓ સહિત ફરીથી બંધાશે અને તે સાતગણા બાસઠ વર્ષ સુધી તે ટકી રહેશે. પણ એ તો સંકટનો સમય હશે. એ સમયને અંતે ઈશ્વરના અભિષિક્ત આગેવાનને અન્યાયથી મારી નાખવામાં આવશે. તે પછી એક પરાક્રમી રાજાના આક્રમક સૈન્યથી શહેરનો અને મંદિરનો નાશ થશે. રેલની જેમ અંત આવશે અને તે ઈશ્વરે નક્કી કર્યા મુજબ યુદ્ધ અને વિનાશ લાવશે. એ રાજા ઘણા લોકો સાથે એક સપ્તાહ સુધી પાકો કરાર કરશે અને સપ્તાહની અધવચ્ચે બલિદાનો અને અર્પણો બંધ કરાવશે. મંદિરની ટોચે અત્યંત ધૃણાજનક વસ્તુ મૂકાશે અને તેને ત્યાં મૂકનારને માટે ઈશ્વરે નક્કી કરેલા અંત સુધી એ ધૃણાસ્પદ વસ્તુ ત્યાં રહેશે. ઇરાનના રાજા કોરેશના અમલના ત્રીજા વર્ષમાં દાનિયેલ એટલે બેલ્ટશાસ્સારને એક સંદેશનું પ્રકટીકરણ આપવામાં આવ્યું. સંદેશો સત્ય હતો, પણ તે સમજવામાં ખૂબ જ મુશ્કેલ હતો. તે તેને દર્શનમાં સમજાવવામાં આવ્યો. તે વખતે હું ત્રણ સપ્તાહથી શોક પાળી રહ્યો હતો. ત્રણ સપ્તાહ સુધી મેં કોઈ સ્વાદિષ્ટ ખોરાક કે માંસ ખાધું નહોતું; ન તો મેં દ્રાક્ષાસવ પીધો કે ન તો મેં તેલમર્દન કર્યું હતું. વર્ષના પ્રથમ માસના ચોવીસમા દિવસે મોટી નદી હિદ્દેકેલ એટલે તીગ્રિસને કિનારે હું ઊભો હતો. મેં ઊંચે જોયું તો અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલો અને ઉફાઝના શુદ્ધ સોનાનો પટ્ટો પહેરેલો એક માણસ મેં જોયો. તેનું શરીર પોખરાજ મણિની જેમ પ્રકાશતું હતું. વીજળીના ચમકારાની જેમ તેનો ચહેરો ઝળહળતો હતો. તેની આંખો અગ્નિની જવાળા જેવી હતી. તેના હાથ અને પગ ચળક્તા તાંબા જેવા હતા. તેનો અવાજ મોટા જન- સમુદાયના પોકાર જેવો હતો. માત્ર મેં જ દર્શન જોયું. મારી સાથેના માણસોએ તો દર્શન જોયું નહિ, પણ તેઓ ગભરાઈ ગયા અને દોડીને સંતાઈ ગયા. તેથી એ અદ્‍ભુત દર્શન જોતો હું એકલો જ ત્યાં રહી ગયો. મારામાં કંઈ શક્તિ રહી નહિ અને મારો ચહેરો એવો બદલાઈ ગયો કે મને કોઈ ઓળખી પણ ન શકે. તેનો અવાજ સાંભળીને હું બેભાન બની જમીન પર ઊંધે મુખે પટકાઈ પડયો. પછી કોઈએક હાથે મને મારા ધ્રૂજતા હાથ અને ધૂંટણો પર ઊભો કર્યો. દૂતે મને કહ્યું, “હે દાનિયેલ, ‘તું ઈશ્વરને પ્રિય છે. ઊભો થા અને મારું કહેવું ધ્યનથી સાંભળ. મને તારી પાસે મોકલવામાં આવ્યો છે.” તેણે એવું કહ્યું એટલે હું ધ્રૂજતો ધ્રૂજતો ઊભો થયો. ત્યાર પછી તેણે કહ્યું, “હે દાનિયેલ, ડરીશ નહિ. સમજશક્તિ મેળવવા તેં નમ્ર બનવાનો નિર્ણય કર્યો તેના પહેલા જ દિવસથી ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. હું તારી પ્રાર્થનાઓના જવાબ માટે જ આવ્યો છું. ઇરાનના રાજ્યના ચોકિયાત દૂતે એકવીસ દિવસ સુધી મારો સામનો કર્યો. પણ મુખ્ય દૂતોમાંનો એક એટલે મિખાયેલ મારી મદદે આવ્યો. કારણ, હું ઈરાનમાં એકલો જ રહી ગયો હતો. તારા લોક પર ભવિષ્યમાં શું વીતશે તે સમજાવવા હું આવ્યો છું. આ દર્શન દૂરના ભવિષ્યનું છે.” એ સાંભળીને હું અવાક બની જમીન પર તાકી રહ્યો. ત્યારે માનવસ્વરૂપના પેલા દૂતે પોતાનો હાથ લાંબો કરીને મારા હોઠને સ્પર્શ કર્યો. મેં તેને કહ્યું, “સાહેબ, દર્શનને કારણે મારામાં કંઈ શક્તિ રહી નથી અને હું ધ્રૂજ્યા કરું છું. કોઈ ગુલામ માલિક સમક્ષ ઊભો હોય એવી મારી સ્થિતિ છે. હું કેવી રીતે તમારી સાથે વાત કરું? મારામાં કંઈ શક્તિ કે દમ નથી.” તેણે મને ફરીથી સ્પર્શ કર્યો એટલે મારામાં શક્તિ આવી. તેણે કહ્યું, “તું ઈશ્વરને પ્રિય છે; તેથી કશાની ચિંતા કરીશ નહિ, અથવા કશાથી ગભરાઈશ નહિ.” તેણે એવું કહ્યું એટલે મારામાં વધુ બળ આવ્યું અને મેં કહ્યું, “સાહેબ, હવે તમારો સંદેશ જણાવો; કારણ, તમે મને બળ આપ્યું છે.” તેણે કહ્યું, “હું તારી પાસે શા માટે આવ્યો તે તું જાણે છે? હું તો તારી આગળ સત્યના ગ્રંથમાંનું લખાણ પ્રગટ કરવા આવ્યો છું. મારે પાછા જઈને ઇરાનના ચોકિયાત દૂત સાથે લડવાનું છે. તે પછી ગ્રીસનો ચોકિયાત દૂત આવશે. ઇઝરાયલના ચોકિયાત દૂત મિખાયેલ સિવાય મને મદદ કરનાર બીજું કોઈ નથી. મારી મદદ અને મારું રક્ષણ કરવાની જવાબદારી તેની છે. હવે હું તને જે કહેવાનો છું તે સત્ય છે.” દૂતે કહ્યું, “ઇરાન પર બીજા ત્રણ રાજાઓ રાજ કરશે, તેમના પછી ચોથો રાજા આવશે, જે બાકીના બધા કરતાં ધનવાન થશે. પોતાની સત્તા અને સમૃદ્ધિના શિખરે પહોંચતાં તે ગ્રીસના રાજ્યને પડકારશે. “ત્યાર પછી એક શક્તિશાળી રાજા ઊભો થશે તે મોટા સામ્રાજ્ય પર રાજ કરશે અને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તશે. પણ તેના રાજ્યની સમૃદ્ધિની પરાક્ષ્ટા પછી રાજ્યના ચાર ભાગલા પડી જશે. તેના વંશજો ન હોય એવા રાજાઓ તેના સ્થાને આવશે, પણ તેમની પાસે તેના જેવો રાજ્યાધિકાર નહિ હોય. “ઇજિપ્તનો રાજા બળવાન થશે. પણ તેનો એક સેનાપતિ વિશેષ બળવાન બનીને તેના કરતાં પણ મોટા રાજ્ય પર રાજ કરશે. થોડાં વર્ષો પછી ઇજિપ્તનો રાજા પોતાની પુત્રી અરામના રાજા સાથે પરણાવી તેની સાથે રાજસંબંધ બાંધશે. પણ એ સંબંધ ટકશે નહિ, અને એ પુત્રી, તેનો પતિ, તેનું બાળક અને તેના નોકરોને મારી નાખવામાં આવશે. થોડા જ વખત પછી એ પુત્રીનો સંબંધી રાજા બનશે. તે અરામના રાજાના લશ્કરની વિરુદ્ધ લડાઈ કરશે. કિલ્લાઓ તોડી પાડશે અને તેને હરાવશે. તેમના દેવોની મૂર્તિઓ અને દેવોને અર્પણ કરેલાં સોનારૂપાનાં પાત્રો તે પાછાં ઇજિપ્ત લઈ જશે. થોડાંએક વર્ષો શાંતિમાં પસાર થશે. તે પછી અરામનો રાજા ઇજિપ્ત પર આક્રમણ કરશે, પણ તેને પીછેહઠ કરવી પડશે. “અરામના રાજાના પુત્રો મોટું સેન્ય એકત્ર કરીને યુદ્ધની તૈયારી કરશે. તેઓમાંનો એક પૂરની માફક ધસી આવશે અને શત્રુના એક કિલ્લા પર આક્રમણ કરશે. ઇજિપ્તનો રાજા રોષે ભરાઈને તેની વિરુદ્ધ યુદ્ધે ચઢશે અને અરામના મોટા સૈન્ય પર કબજો જમાવશે. વિજયને લીધે અને પોતે મારી નાખેલા સૈનિકોને લીધે તે ગર્વિષ્ઠ બનશે, પણ તેનો વિજય ઝાઝો ટકશે નહિ. “અરામનો રાજા પાછો જઈને અગાઉના કરતાં પણ મોટું લશ્કર તૈયાર કરશે. તે પછી યોગ્ય સમયે તે શસ્ત્રસજિત મોટું સૈન્ય લઈને પાછો આવશે. ત્યારે ઇજિપ્તના રાજા વિરુદ્ધ ઘણા લોકો બળવો પોકારશે. હે દાનિયેલ, તારી પ્રજાના લોકોમાંથી પણ કેટલાક બંડખોર માણસો દર્શન પૂર્ણ કરવા માટે તેમાં જોડાશે, પણ તેમની હાર થશે. અરામનો રાજા એક કિલ્લેબંધીવાળા નગરને ઘેરો ઘાલી તેને જીતી લેશે. ઇજિપ્તના સૈનિકો લડવાનું ચાલુ રાખી શકશે નહિ; તેમના શ્રેષ્ઠ સૈનિકોમાં પણ લડવાની તાક્ત રહી નહિ હોય. અરામનો રાજા તેમની સાથે ફાવે તેમ વર્તશે. કોઈપણ જાતના વિરોધ વિના તે વચનના દેશમાં ઊભો રહેશે અને તે દેશ પર પોતાની સંપૂર્ણ સત્તા જમાવશે. “અરામનો રાજા પોતાના સમગ્ર સૈન્ય સહિત ચઢાઈનું આયોજન કરશે. દુશ્મનના રાજ્યનો નાશ કરવા માટે તે તેની સાથે રાજકીય સંબંધ બાંધશે અને તેની સાથે પોતાની પુત્રીનું લગ્ન કરાવવાની તૈયારી બતાવશે; પણ તેની યોજના પાર પડશે નહિ. ત્યારપછી તે સમુદ્રકાંઠાનાં રાજ્યો પર આક્રમણ કરશે અને તેમાંનાં ઘણાને જીતી લેશે. પણ એક પરદેશી રાજા તેનો પરાજ્ય કરશે, તેનો ગર્વ ઉતારી પાડશે અને તેનું અપમાન તેને પાછું વાળી આપશે. ત્યાર પછી રાજા પોતાના દેશના કિલ્લાઓમાં પાછો ફરશે, પણ ત્યાં તેની હાર થશે, અને તેનો અંત આવશે. “તેના પછી બીજો એક રાજા ઊભો થશે. પોતાના રાજ્યની આવક વધારવા માટે લોકો પર કરવેરા લાદવા તે પોતાના એક અધિકારીને મોકલશે. થોડા જ સમયમાં તે રાજા મારી નંખાશે; પણ તે નહિ તો જાહેરમાં કે નહિ યુદ્ધમાં.” દૂતે સમજાવવાનું ચાલુ રાખ્યું: એ પછી અરામમાં એક દુષ્ટ રાજા ઊભો થશે. તેને રાજા થવાનો અધિકાર નહિ હોય પણ તે અણધારી રીતે આવી જશે અને કપટથી સત્તા આંચકી લેશે. તેનો વિરોધ કરનારાઓના સૈન્યને તે પૂરની જેમ હડસેલી કાઢશે અને તેનો સંહાર કરશે. અરે, કરારનો અધિપતિ પણ નાશ પામશે. બીજા રાષ્ટ્રો સાથે તે સંધિઓ કરીને તેમને છેતરશે. તે પોતે નાની પ્રજાનો શાસક હોવા છતાં તે વધુને વધુ બળવાન થતો જશે. તે સમૃદ્ધ પ્રદેશ પર ઓચિંતો હુમલો કરશે અને તેના પૂર્વજોમાંના કોઈએ ન કર્યાં હોય એવાં કામ કરશે. યુદ્ધમાં મેળવેલી લૂંટ અને મિલક્ત તે પોતાના સાથીઓને વહેંચી આપશે. તે કિલ્લાઓ પર ચઢાઈ કરવાની યોજનાઓ ઘડી કાઢશે, પણ તેનો સમય જલદી પૂરો થઈ જશે. “ઇજિપ્તના રાજા પર આક્રમણ કરવાને તે નીડરતાથી મોટું લશ્કર તૈયાર કરશે, પણ ઇજિપ્તનો રાજા મોટું અને બળવાન લશ્કર લઈ તેનો સામનો કરશે. છતાં ઇજિપ્તનો રાજા છેતરાશે અને તેની સામે સફળ થશે નહિ. તેના અંગત સલાહકારો જ તેનો વિનાશ લાવશે. તેના ઘણા સૈનિકો માર્યા જશે અને સૈન્ય વેરવિખેર થઈ જશે. ત્યાર પછી બન્‍ને રાજાઓ એક મેજ પર સાથે જમવા બેસશે. પણ તેમના ઇરાદા દુષ્ટ હશે. તેઓ એકબીજાને જુઠ્ઠું કહેશે, પણ તેમની ઇચ્છા પૂરી થશે નહિ, કારણ, તે માટેનો સમય હજુ આવ્યો નહિ હોય. અરામનો રાજા લડાઈમાં મેળવેલી લૂંટ સાથે પાછો કરશે. પણ તેનું મન પવિત્ર કરારની વિરુદ્ધ લાગેલું હશે. પોતાને ફાવે તેમ વર્ત્યા પછી તે પોતાના દેશમાં પાછો જશે. “ત્યારપછી તે ફરીવાર ઇજિપ્ત પર ચડાઈ કરશે. પણ આ વખતે જુદું જ પરિણામ આવશે. રોમનો વહાણોમાં બેસીને આવશે અને તેનો સામનો કરશે, એટલે તે ગભરાઈ જશે. “તે ક્રોધે ભરાઈને પાછો જશે અને ઈશ્વરના લોકોના ધર્મનો નાશ કરવાનો વિચાર કરશે. પવિત્ર કરાર મુજબના ધર્મનો ત્યાગ કરનારાઓની સલાહ તે માનશે. તેના કેટલાક સૈનિકો પવિત્ર મંદિરને તથા કિલ્લાને ભ્રષ્ટ કરશે. અને અત્યંત ધૃણાજનક વસ્તુની ત્યાં સ્થાપના કરશે. કરારની વિરુદ્ધ જઈ ધર્મત્યાગ કરનારા લોકોનો તે રાજા કપટથી ટેકો મેળવશે, પણ પોતાના ઈશ્વરને ઓળખનારા લોકો તેની વિરુદ્ધ ઝઝૂમશે. લોકોમાંથી જેઓ જ્ઞાની હશે તે બીજાઓને શીખવશે; છતાં તેમનામાંના કેટલાક યુદ્ધમાં માર્યા જશે, તો કેટલાકને જીવતા સળગાવી દેવામાં આવશે અને બાકીનાને લૂંટી લઈ કેદી બનાવવામાં આવશે. એ સમયે ઈશ્વરના લોકોને થોડીઘણી સહાય મળી રહેશે. કેટલાક લોકો સ્વાર્થને લીધે તેમની સાથે જોડાશે. કેટલાક જ્ઞાની લોકો માર્યા જશે પણ તેથી લોકો પવિત્ર તથા શુદ્ધ કરાશે. ઈશ્વરે ઠરાવેલો અંતનો સમય આવે ત્યાં સુધી એવું ચાલુ રહેશે. “અરામનો રાજા પોતાની ઇચ્છા પ્રમાણે વર્તશે. પોતે અન્ય કોઈ પણ દેવ કરતાં, અરે, સર્વોપરી ઈશ્વર કરતાં પણ મહાન છે એવી બડાઈ મારશે. ઈશ્વરના કોપથી તેને શિક્ષા થાય તે સમય સુધી તે એમ કર્યા કરશે, પણ છેવટે તો ઈશ્વરના નિર્ણય પ્રમાણે જ થશે. રાજા પોતાના પૂર્વજોના દેવોને અથવા સ્ત્રીઓની પ્યારી એવી દેવીને ગણકારશે નહિ, કારણ, તે પોતાને એ બધાં કરતાં મોટો માનશે. પણ તેને બદલે તે કિલ્લાઓના દેવોનું સન્માન કરશે. તેના પૂર્વજોએ જેમની ક્યારેય પૂજા કરી નહોતી એવા દેવોને તે સોનું, રૂપું, ઝવેરાત, અને અન્ય મનોહર ભેટોનું અર્પણ કરશે. પોતાના કિલ્લાઓનું રક્ષણ કરવા માટે તે પરદેશી દેવોની ભક્તિ કરનાર લોકોની મદદ લેશે. તેનો રાજ્યાધિકાર સ્વીકારનાર લોકોને તે ભારે માનથી નવાજશે, તેમને ઉચ્ચ પદવીઓ આપશે અને ઇનામમાં જમીન આપશે. “અરામના રાજાનો આખરી સમય લગભગ નજીકમાં હશે ત્યારે ઇજિપ્તનો રાજા તેના પર આક્રમણ કરશે. અરામનો રાજા પણ રથો, ઘોડા અને વહાણો ઉપયોગમાં લઈ પૂરી તાક્તથી તેનો સામનો કરશે. પાણીના પૂરની જેમ તે ઘણા દેશો પર હુમલો કરશે. તે વચનના દેશ પર ચઢાઈ કરશે અને હજારોની ક્તલ કરશે; પરંતુ અદોમ, મોઆબ, અને આમ્મોનનો બાકી રહેલો ભાગ તેના હાથમાંથી બચી જશે. જ્યારે તે બધા દેશો પર ચડાઈ કરશે ત્યારે ઇજિપ્ત પણ બાક્ત રહી જશે નહિ. તે ઇજિપ્તના સોનારૂપાના ગુપ્ત ભંડારો અને સર્વ મૂલ્યવાન ચીજવસ્તુઓ લઈ જશે. તે લિબિયા અને સુદાન પર જીત મેળવશે. પણ પૂર્વ અને ઉત્તર તરફથી આવતી અફવાઓથી તે ગભરાશે અને તેથી તે ક્રોધાવેશમાં ઝઝૂમીને ઘણાઓનો સંહાર કરશે અને વિનાશ વેરશે. સમુદ્ર તથા મંદિરના પર્વતની વચ્ચે તે પોતાના શાહી તંબુઓ તાણશે, પણ અંતે તે માર્યો જશે અને તેને સહાય કરનાર કોઈ નહિ હોય.” અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા દૂતે કહ્યું, “તે સમયે તારા લોકનું રક્ષણ કરનાર મહાન દૂત મિખાયેલ પ્રગટ થશે. તે વખતે, રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી કદી આવ્યો ન હોય એવો મોટા સંકટનો સમય આવશે. એ સમય આવે ત્યારે તારી પ્રજાના જે લોકનાં નામ ઈશ્વરના પુસ્તકમાં નોંધાયેલાં છે તેમનો બચાવ થશે. મરી ગયેલાઓમાંના ઘણા સજીવન થશે. કેટલાક સાર્વકાલિક જીવનનો અનુભવ માણશે, તો બીજા કેટલાક સાર્વકાલિક લજ્જા ભોગવશે. જ્ઞાનીઓ અંતરિક્ષમાં પૂરા પ્રકાશથી પ્રકાશશે, તો ઘણા લોકોને ન્યાયનેકીનું શિક્ષણ આપનારા તારાઓની જેમ સદાસર્વદા ઝળહળશે. તેણે મને કહ્યું, “હે દાનિયેલ, હવે પુસ્તક બંધ કર અને દુનિયાના અંતના સમય સુધી તેને મુદ્રિત કર. દરમ્યાનમાં, બની રહેલા બનાવો સમજવાને ઘણાઓ વ્યર્થ પ્રયત્નો કરશે.” ત્યાર પછી મેં એક નદીના દરેક કિનારે એક, એમ બે પુરુષોને ઊભેલા જોયા. તેમનામાંના એક દૂતે અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરીને નદીના ઉપરવાસમાં ઊભેલા બીજા દૂતને પૂછયું, “આ અદ્‍ભુત બાબતોનો અંત આવતાં કેટલો સમય લાગશે?” અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરીને ઊભેલા દૂતે પોતાના બન્‍ને હાથ આકાશ તરફ ઊંચા કરીને સાર્વકાલિક ઈશ્વરના સમ ખાઈને કહ્યું, “સાડા ત્રણ વર્ષ; ઈશ્વરના લોકની સતાવણી પૂરી થાય તે પહેલાં આ બધી બાબતો બની ચૂકી હશે.” તેણે મને જે કહ્યું તે મેં સાંભળ્યું, પણ હું કંઈ સમજ્યો નહિ. તેથી મેં પૂછયું, “સાહેબ, એ બધાંનું પરિણામ શું આવશે?” તેણે જવાબ આપ્યો, “હે દાનિયેલ, તું તારે હવે જા. કારણ, અંતના સમય સુધી આ વાતો ગૂઢ અને ગુપ્ત રાખવાની છે. ઘણા લોકોને શુદ્ધ કરવામાં આવશે. દુષ્ટો કંઈ સમજશે નહિ, પણ વધુ ને વધુ દુષ્ટતા આચરશે; માત્ર જ્ઞાનીઓ જ આ વાતો સમજશે. “દરરોજનું અર્પણ બંધ થયાના સમયથી, એટલે કે અત્યંત ધૃણાજનક વસ્તુના સમયથી એક હજાર બસો નેવું દિવસો પસાર થશે. એક હજાર ત્રણસો પાંત્રીસ દિવસ પસાર થાય ત્યાં સુધી જેઓ વિશ્વાસુ રહે તેમને ધન્ય છે! “અને દાનિયેલ, તું અંત સુધી વિશ્વાસુ રહે. તું મરણ તો પામીશ, પણ અંતના સમયે તારો વારસો પામવાને તું સજીવન થશે.” યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા અને ઇઝરાયલના રાજા, એટલે કે યોઆશના પુત્ર યરોબઆમના શાસનકાળ દરમ્યાન પ્રભુએ બએરીના પુત્ર હોશિયાને આપેલો આ સંદેશ છે. પ્રભુ ઇઝરાયલ સાથે હોશિયા દ્વારા સૌ પ્રથમ બોલ્યા ત્યારે તેમણે તેને કહ્યું, “જા, એક સ્ત્રી સાથે લગ્ન કર; તે સ્ત્રી તને બેવફા નીવડશે અને તેને વ્યભિચારનાં સંતાન થશે. કારણ, એક વ્યભિચારિણીની જેમ મારા લોકોએ બેવફાઈથી મારો ત્યાગ કર્યો છે.” તેથી હોશિયાએ દિબ્લાઈમની પુત્રી ગોમેર સાથે લગ્ન કર્યું. ગોમેર ગર્ભવતી થઈ અને તેણે તેને માટે પુત્રને જન્મ આપ્યો. પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ ‘યિઝ્રએલ’ પાડ; કારણ, યેહૂએ યિઝ્રએલમાં ખૂનરેજી ચલાવી હતી અને તેથી થોડા જ સમયમાં તેનો બદલો હું તેના વંશજો પર વાળીશ અને યેહૂના રાજવંશનો અંત આણીશ. એ સમયે હું યિઝ્રએલની ખીણમાં ઇઝરાયલની લશ્કરી તાક્ત ખતમ કરી નાખીશ.” ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને આ વખતે પુત્રી જન્મી. પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ લો-રૂહામા એટલે ‘દયા- વિહોણી’ પાડ; કારણ, હું ઇઝરાયલના લોક પર દયા રાખીશ નહિ કે તેમને ક્ષમા કરીશ નહિ. પણ હું યહૂદિયાના લોકો ઉપર દયા દર્શાવીશ અને તેમનો ઉદ્ધાર કરીશ; ધનુષ્યથી, તલવારથી, ઘોડાઓથી કે ઘોડેસ્વારોથી નહિ, પણ તેમના ઈશ્વર પ્રભુ તરીકે હું જાતે તેમનો ઉદ્ધાર કરીશ.” પુત્રીને ધાવણ છોડાવ્યા પછી ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને તેને પુત્ર જન્મ્યો. પ્રભુએ હોશિયાને કહ્યું, “તેનું નામ લો-આમ્મી એટલે ‘મારા લોક નથી’ પાડ; કારણ, ઇઝરાયલના લોક મારા લોક નથી અને હું તેમનો ઈશ્વર નથી.” ઇઝરાયલના લોકો દરિયાની રેતી સમાન અગણિત અને અમાપ થશે. અત્યારે પ્રભુ તેમને આમ કહે છે: “તમે મારા લોક નથી.” પણ એવો દિવસ આવે છે જ્યારે તે તેમને કહેશે, “તમે જીવતા ઈશ્વરના પુત્રો છો.” યહૂદિયાના અને ઇઝરાયલના લોકો ફરીથી એક થશે. તેઓ પોતાને માટે એક જ આગેવાન પસંદ કરશે અને તેઓ ફરીથી તેમની ભૂમિ પર સ્થાપિત થશે અને સમૃદ્ધિ મેળવશે. સાચે જ યિઝ્રએલનો દિવસ મહાન દિવસ થશે! તે માટે તમારા ઇઝરાયલી બધુંઓને આમ્મી એટલે ‘પ્રભુના લોક’ અને રૂહામા એટલે ‘ઈશ્વરની દયા પામેલા’ એમ કહીને બોલાવો. “મારાં બાળકો, તમારી માને વિનવણીપૂર્વક સમજાવો. કારણ, તે મારી પત્ની નથી અને હું તેનો પતિ નથી. તેને સમજાવો કે તે પોતાના ચહેરા પરથી વ્યભિચાર અને પોતાનાં સ્તનો વચ્ચેથી જારકર્મો દૂર કરે. નહિ તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ અને તે તેના જન્મ દિવસે હતી તેવી નગ્ન કરી દઈશ. હું તેને સૂકી અને વેરાન ભૂમિ જેવી કરી દઈશ અને તેને તરસે મારી નાખીશ. હું તેનાં બાળકો પર દયા દર્શાવીશ નહિ; કારણ, તેઓ વ્યભિચારથી જન્મેલાં છે. તેમની જનેતા નિર્લજજ વેશ્યા છે. તેણે પોતે જ કહ્યું, ‘હું તો મને ખોરાક, પાણી, ઊન અને અળસીરેસાનાં વસ્ત્રો, ઓલિવ તેલ અને દ્રાક્ષાસવ પૂરાં પાડનાર મારા આશકોની પાછળ જઈશ.’ “એ માટે હું તેને કાંટાની વાડથી ઘેરી લઈશ અને તેની આસપાસ દીવાલ ઊભી કરીશ કે જેથી તે બહાર જઈ શકે નહિ. તે પોતાના આશકો પાછળ પડશે, પણ તેઓ સુધી પહોંચી શકશે નહિ. તે તેમને શોધશે પણ તેઓ જડશે નહિ. પછી તે કહેશે, ‘હું મારા પ્રથમ પતિ પાસે પાછી જઈશ, કારણ, અત્યારનાં કરતાં હું ત્યારે વધારે સુખી હતી.’ “હું જ તેને અનાજ, ઓલિવ તેલ અને દ્રાક્ષાસવ આપતો હતો એવું તો તે ક્યારેય સ્વીકારતી નથી. મેં જ તેને આપેલા અઢળક સોનારૂપાનો તેણે બઆલની ભક્તિમાં ઉપયોગ કર્યો. તેથી કાપણીની મોસમમાં મારાં આપેલાં અનાજ અને દ્રાક્ષાસવ હું પાછાં લઈ લઈશ. અને તેની લાજ ઢાંકવાને આપેલાં ઊન અને અળસીરેસા હું ખૂંચવી લઈશ. તેના આશકોના દેખતાં હું તેની લાજ ઉઘાડી પાડીશ, અને મારા હાથમાંથી તેને કોઈ છોડાવી શકશે નહિ. હું તેનાં બધાં પર્વો એટલે તેના ઉત્સવો, ચાંદ્રમાસના પ્રથમ દિવસો, સાબ્બાથો અને નિયત થયેલ સર્વ ધાર્મિક સંમેલનોનો અંત આણીશ. તેના દ્રાક્ષવેલા અને અંજીરીઓ જેઓ વિષે તેણે કહ્યું કે એ તો મારા આશકો પાસેથી વેતન તરીકે મળેલાં છે તેમનો હું વિનાશ કરીશ. હું તેની દ્રાક્ષવાડીઓ અને તેના બાગ બગીચાઓને વેરાન કરી નાખીશ, અને વન્ય પ્રાણીઓ તેમને ભેલાડી મૂકશે. મને ભૂલી જઈને તે બઆલની આગળ ધૂપ બાળતી હતી અને નાકની વાળી તથા આભૂષણો પહેરીને આશકોની પાછળ પાછળ ભટક્તી હતી તે દિવસોને માટે હું તેને સજા કરીશ.” પ્રભુ પોતે એમ કહે છે. “એ માટે હું તેને ભોળવી પટાવીને ફરીથી વેરાનપ્રદેશમાં લઈ જઈશ ને તેને પ્રેમાળ શબ્દોથી જીતી લઈશ. હું તેને તેની દ્રાક્ષવાડીઓ પાછી આપીશ અને ‘વિપત્તિની ખીણ’ને આશાનું દ્વાર બનાવી દઈશ. તેની યુવાવસ્થામાં એટલે કે તે ઇજિપ્તમાંથી નીકળી આવી તે દિવસોમાં તેનો જેવો હતો તેવો જ પ્રતિભાવ તે મારા પ્રત્યે દાખવશે. પછી તે મને ‘ઇશી’ (અર્થાત્ મારા સ્વામી) કહીને બોલાવશે અને ‘મારા બઆલ’ એમ કહીને મને ક્યારેય સંબોધશે નહિ. હું તેને મુખે ‘બઆલ’નું નામ ફરી કદી ઉચ્ચારવા દઈશ નહિ. “તે સમયે હું જંગલી જનાવરો, પક્ષીઓ અને પેટે ચાલનારાં પ્રાણીઓ સાથે કરાર કરીશ, એટલે તેઓ મારા લોકને કંઈ ઈજા પહોંચાડશે નહિ. હું ધનુષ્ય, તલવાર કે યુદ્ધનાં એવાં બધાં જ શસ્ત્રો નષ્ટ કરીશ અને મારા લોકને સલામતીમાં રાખીશ. ઇઝરાયલ, હું તારી સાથે વિવાહ કરીશ. એ વિવાહ હું સત્યતાથી અને વિશ્વાસુપણે કરીશ. હું તારા પર અવિચળ પ્રેમ અને દયા દાખવીશ, અને સદાસર્વકાળ માટે તને મારી પોતાની કરી લઈશ. હું મારું વચન પાળીશ અને તને મારી કરી લઈશ; અને હું તારો પ્રભુ છું એવું તું સાચે જ સ્વીકારશે. તે સમયે હું મારા લોક યિઝ્રએલની પ્રાર્થનાઓ સાંભળીશ. પૃથ્વી પર વરસાદ વરસાવીશ એટલે ભૂમિ અનાજ, આસવ માટે દ્રાક્ષો અને તેલ માટે ઓલિવફળ નીપજાવશે. *** હું મારા લોકને તેમના દેશમાં સ્થાપિત કરીશ અને તેમને સમૃદ્ધ કરીશ. “‘લો-રૂહામા’ એટલે ‘દયાવિહોણી’ એવા નામે જેઓ ઓળખાતા હતા તેમના પર હું દયા દાખવીશ; અને ‘મારા લોક નથી’ એવા નામે જેઓ ઓળખાતા હતા તેમને હું કહીશ કે, ‘તમે મારા લોક છો,’ અને તેઓ પ્રત્યુત્તર વાળશે, ‘તમે અમારા ઈશ્વર છો.” પ્રભુ ફરીવાર મારી સાથે બોલ્યા. તેમણે કહ્યું, “જેમ ઇઝરાયલના લોકો અન્ય દેવતાઓ પાછળ જાય છે અને તેમને સૂકી દ્રાક્ષની થેપલીનાં અર્પણ ચઢાવવાનું ગમે છે અને છતાંય હું પ્રભુ તેમના પર પ્રેમ રાખું છું તેમ તું પણ જઈને તેના પ્રેમીને પ્યારી પણ વ્યભિચારી સ્ત્રી પર પ્રેમ કર.” તેથી મેં ચાંદીના પંદર સિક્કા અને સાત માપ જવ આપીને તેને વેચાતી લીધી. મેં તેને કહ્યું કે, ‘તારે ઘણા દિવસ સુધી મારી સાથે રહેવાનું છે, પણ તારે વેશ્યાગીરી કરવાની નથી અને કોઈ પુરુષ સાથે દેહસંબંધમાં આવવાનું નથી, અને હું પણ તારી સાથે દેહસંબંધથી જોડાઈશ નહિ.’ તે જ પ્રમાણે ઇઝરાયલના લોકો લાંબા સમય સુધી રાજા, આગેવાનો, યજ્ઞો, પવિત્ર સ્તંભો, મૂર્તિઓ અને ભવિષ્યકથન માટે વપરાતી પ્રતિમા વગરના રહેશે. એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે. આ દેશના રહેવાસીઓ વિરુદ્ધ પ્રભુ ફરિયાદ કરવા માગે છે; “હે ઇઝરાયલી લોકો, સાંભળો: દેશમાં વફાદારી કે પ્રેમ રહ્યાં નથી અને લોકો મને ઈશ્વર તરીકે ગણકારતા નથી. તેઓ વચનો આપે છે, પણ પાળતા નથી. તેઓ જુઠ્ઠું બોલે છે, ખૂન કરે છે, ચોરી કરે છે અને વ્યભિચાર આચરે છે. ગુનાઓ વધતા જાય છે અને ઉપરાઉપરી ખૂન થાય છે. તેથી જમીન સુકાઈ જશે અને તેની પરના બધા જીવ મરણ પામશે. બધાં જ પ્રાણીઓ અને પક્ષીઓ, અરે, સમુદ્રનાં માછલાંય મરણ પામશે.” પ્રભુ કહે છે, “છતાં કોઈ લોકોનો જ દોષ ન કાઢે અથવા તેમને ઠપકો ન દે; કારણ, હે યજ્ઞકારો, મારી ફરિયાદ તો તમારી વિરુદ્ધ છે. તમે રાતદિવસ ભારે ગોટાળા કરો છો અને સંદેશવાહકો પણ એમાં કંઈ ઊણા ઊતરે એવા નથી. તેથી હું તમારી જનેતા ઇઝરાયલનો નાશ કરીશ. મારા લોકોનો નાશ નક્કી થઈ ચૂકયો છે. કારણ, તેઓ મને ઈશ્વર તરીકે ગણકારતા નથી. તમે યજ્ઞકારોએ મારો નકાર કર્યો છે અને મારા શિક્ષણનો ત્યાગ કર્યો છે, તેથી હું પણ તમારો ત્યાગ કરું છું અને તમારા પુત્રોને પણ યજ્ઞકાર તરીકે સ્વીકારીશ નહિ. “યજ્ઞકારોની સંખ્યા વધે છે, તો તેટલાં પાપ પણ વધે છે. પણ હું તમારા સન્માનને અપમાનમાં ફેરવી નાખીશ. મારા લોકનાં પાપને કારણે તમે ધનવાન થાઓ છો અને એટલે તેઓ વધારે ને વધારે પાપ કરે તેવું તમે ઇચ્છો છો. પણ તમને તે લોકોના જેવી જ સજા થશે. હું તમને સજા કરીશ અને તમારે તમારી દુષ્ટતાની કિંમત ચૂકવવી પડશે. તમે બલિદાનોનો તમારો હિસ્સો ખાશો, તોય તમે ભૂખ્યા રહેશો. તમે અન્ય દેવતાઓની પૂજા કરશો, પણ તમને બાળકો નહિ થાય, કારણ, તમે મને તરછોડીને અન્ય દેવતાઓને અનુસર્યા છો.” પ્રભુ કહે છે, “વેશ્યાગમન અને જૂના તથા નવા દ્રાક્ષાસવથી મારા લોક તેમની અક્કલ ગુમાવે છે. તેઓ વૃક્ષના ઠૂંઠા પાસે સલાહ માગે છે અને એક લાકડી પાસે ઉત્તરની અપેક્ષા રાખે છે! તેમણે મારો ત્યાગ કર્યો છે. એક વ્યભિચારી સ્ત્રીની જેમ તેમણે પોતાને અન્ય દેવતાઓને સોંપ્યા છે. પર્વતોની ટોચ પરનાં પૂજાસ્થાનોમાં તેઓ યજ્ઞો કરે છે અને ટેકરીઓ પર ઊંચાં અને ઘટાદાર ઓક વૃક્ષો નીચે સારો છાંયો હોવાથી તેઓ ત્યાં ધૂપ બાળે છે. “પરિણામે, તમારી પુત્રીઓ વેશ્યાગીરી કરે છે અને તમારી પુત્રવધૂઓ વ્યભિચાર કરે છે. છતાં હું તેમને એ માટે સજા કરીશ નહિ. કારણ, તમે પોતે જ વેશ્યાઓ સાથે એકાંતમાં જાઓ છો અને મંદિરની દેવદાસીઓ સાથે જોડાઈને ભ્રષ્ટ અર્પણો ચઢાઓ છો.” આમ, અક્કલ વગરના લોકો નાશ વહોરી લે છે. “હે ઇઝરાયલના લોકો, જો કે તમે વેશ્યાની જેમ બેવફા બનો, તો તેથી યહૂદિયાના લોકોએ એ જ બાબતમાં દોષિત બનવાની જરૂર નથી. ગિલ્ગાલ કે ‘બેથ-આવેન’માં ભક્તિ કરવા જશો નહિ અને ત્યાં જઈને જીવતા પ્રભુના નામે સમ ખાશો નહિ. ઇઝરાયલના લોકો તો અડિયલ વાછરડી જેવા છે. મારે પ્રભુએ તેમને ઘાસનાં મેદાનમાં ઘેટાંની જેમ કેવી રીતે ચારવા? એફ્રાઈમના લોકોએ તો મૂર્તિઓ સાથે સંબંધ બાંધ્યો છે; તેમને તેમના માર્ગે ભટકવા દો. પુષ્કળ દ્રાક્ષાસવ પીધા પછી તેઓ વ્યભિચારમાં મશગૂલ રહે છે અને સન્માનને બદલે અપમાન પસંદ કરે છે. *** પણ વાયુના ઝપાટામાં તેઓ ઘસડાઈ જશે; તેમના વિધર્મી યજ્ઞોથી તેઓ લજ્જિત થશે. “હે યજ્ઞકારો, સાંભળો! હે ઇઝરાયલના લોકો ધ્યાન આપો! હે રાજકુટુંબના માણસો, લક્ષ દો! તમને સજા ફરમાવી દેવામાં આવી છે. તમે મિસ્પામાં ફાંદારૂપ અને તાબોર પર્વત પર પાથરેલી જાળ જેવા બન્યા છો. તમે શિટ્ટિમ નગરના ઊંડા ખાડા સમાન થયા છો. પણ હું તમને બધાને શિક્ષા કરીશ. એફ્રાઇમને હું ઓળખું છું અને ઇઝરાયલ પોતાને મારાથી છુપાવી શકે તેમ નથી. એફ્રાઇમની પ્રજા બેવફા બની છે અને ઇઝરાયલની પ્રજાએ પોતાને ભ્રષ્ટ કરી છે.” એ લોકોનાં ભૂંડાં કામ તેમને તેમના ઈશ્વર તરફ પાછા ફરતાં અટકાવે છે. તેમનાં મન પર મૂર્તિપૂજાની સખત પકડ છે અને તેઓ પ્રભુને સ્વીકારતા નથી. ઇઝરાયલના લોકોનું ઘમંડ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે. ઇઝરાયલ અને એફ્રાઈમનાં પાપ તેમને ઠોકર ખવડાવે છે અને પછાડે છે, અને યહૂદિયાના લોકો પણ તેમની સાથે પડે છે. તેઓ પોતાનાં ઘેટાં અને ઢોરઢાંકનો બલિ પ્રભુને ચડાવે છે, પણ એથી તેમને કંઈ લાભ થતો નથી. તેઓ ઈશ્વરને શોધી શક્તા નથી; કારણ, ઈશ્વરે તેમને તજી દીધા છે. તેઓ પ્રભુ પ્રત્યે બેવફા બન્યા છે. તેમનાં બાળકો પારકાથી જન્મ્યાં છે એટલે તેમનો તથા તેમની વસાહતોનો વિનાશ કરવામાં આવશે. ગિબ્યામાં રણશિંગડું વગાડો! રામામાં તુરાઈ વગાડો! બેથ-આવેનમાં યુદ્ધનાદ ગજાવો! બિન્યામીનના પુરુષો, યુદ્ધમાં જોડાઈ જાઓ! સજાનો દિવસ આવી રહ્યો છે અને એફ્રાઇમ વેરાન બની જશે. હે ઇઝરાયલનાં કુળો, એ ચોક્કસ થવાનું છે અને મેં તમને તે જણાવ્યું છે. પ્રભુ કહે છે, “યહૂદિયાના આગેવાનો ઇઝરાયલની જમીન પચાવી પાડી સીમાચિહ્નો હટાવનાર બન્યા છે. તેથી હું તેમના પર રોષે ભરાયો છું અને હું મારો કોપ રેલની પેઠે તેમના પર રેડી દઈશ. એફ્રાઈમે જુલમ વેઠયો છે, પોતાના હક્કની જમીન તેણે ગુમાવી છે. કારણ, જેમની પાસે મદદની અપેક્ષા રાખી શકાય નહિ તેમની મદદ લેવા તે દુરાગ્રહપૂર્વક ગયો છે. હું એફ્રાઈમના લોકોને ઊધઈની જેમ અને યહૂદિયાના લોકોને કીડાની જેમ કોરી ખાઈશ. “જ્યારે એફ્રાઈમને પોતાની બીમારીની ખબર પડી અને યહૂદિયાએ પોતાના જખમ જોયા, ત્યારે એફ્રાઈમ મદદ માટે આશ્શૂરના સમ્રાટ પાસે ગયો; પણ તે તેમને સાજા કરી શકયો નહિ કે ન તો તેમના જખમ રૂઝવી શકયો. તેથી હું એફાઈમ અને યહૂદિયાના લોકો પર સિંહની જેમ ત્રાટકીશ. હું તેમને ફાડી નાખીને જતો રહીશ. જ્યારે હું તેમને ઘસડીને લઈ જઈશ ત્યારે તેમને કોઈ છોડાવી શકશે નહિ. તેઓ તેમનાં પાપને લીધે પૂરેપૂરું સહન કરે અને મને શોધતા મારી પાસે આવે ત્યાં સુધી હું તેમને તજી દઈશ. કદાચ તેમનાં દુ:ખોમાં તેઓ મને શોધવાનો યત્ન કરે.” લોકો કહે છે: “ચાલો, આપણે પ્રભુ પાસે પાછા ફરીએ. તેમણે આપણને ચીરી નાખ્યા છે, પણ તે જ આપણને સાજા કરશે. તેમણે જ આપણને જખમી કર્યા છે અને તે જ પાટો બાંધશે. બે દિવસમાં તે આપણામાં ચૈતન્ય લાવશે અને ત્રીજે દિવસે તો ઉઠાવશે. આવો, આપણે પ્રભુને જાણવાનો ખંતથી યત્ન કરીએ. તેમનું આગમન સૂર્યોદય જેટલું ચોક્ક સ છે અને પૃથ્વીને ભીંજવનાર પાછલા વરસાદની માફક તે આપણી પાસે આવશે. પ્રભુ કહે છે: “હે એફ્રાઈમ અને યહૂદિયા, હું તમને શું કરું? સવારના ધૂમ્મસની જેમ તમારો પ્રેમ ઝડપથી અદશ્ય થઈ જાય છે. તે જલદી ઊડી જતા ઝાકળના જેવો છે. એટલે જ મેં મારા સંદેશવાહકોને મારો સજા અને વિનાશનો સંદેશો તમને જણાવવા મોકલ્યા છે. તમારી પાસેની મારી ન્યાયી માગણી અજવાળા જેવી સ્પષ્ટ છે. મારે તો તમારાં બલિદાનો નહિ, પણ તમારો પ્રેમ જોઈએ છે. તમે દહનબલિ ચઢાવો એ કરતાં મને ઓળખો એ હું વધારે પસંદ કરું છું. “પણ આદમા નગર પાસે વચનના દેશમાં પ્રવેશતાંની સાથે તો તેમણે દગો દઈને તેમની સાથેનો મારો કરાર તોડયો છે. ગિલ્યાદ તો દુષ્ટો અને ખૂનીઓનું શહેર છે. છુપાઈને માણસને ઘેરી લેનાર ગુંડાઓની ટોળીની જેમ યજ્ઞકારો શખેમના પવિત્રસ્થાને જવાના રસ્તા પર ખૂન કરે છે. તેમનાં કામ કેવાં ભયાનક છે! ઇઝરાયલમાં મેં કમકમાટી ઉપજાવે એવી બાબત જોઈ છે. મારા લોકોએ, એફ્રાઈમ તથા ઇઝરાયલે મૂર્તિપૂજા આચરીને પોતાને ભ્રષ્ટ કર્યા છે. અને હે યહૂદિયાના લોકો, તમારા કાર્ય માટે તમારી સજાનો દિવસ મેં નક્કી કર્યો છે. “જ્યારે જ્યારે હું ઇઝરાયલી પ્રજાને સાજા કરવા ઇચ્છતો ત્યારે ત્યારે મેં એફાઈમની દુષ્ટતા અને સમરૂનનાં ભૂંડાં કામો જ જોયાં છે. તેઓ એકબીજાને દગો દે છે, તેઓ ઘરમાં ધૂસી જઈને ચોરી કરે છે, તેઓ લોકોને શેરીઓમાં લૂંટે છે. એમની સઘળી ભૂંડાઈ હું સ્મરણમાં રાખીશ એ વિચાર તો તેમના મનમાં આવતો જ નથી. પણ તેમનાં પાપે તેમને ચોગરદમ ઘેરી લીધા છે અને એ બધાં મારી દષ્ટિ આગળ છે.” પ્રભુ કહે છે, “લોકો રાજાને અને તેના અધિકારીઓ ફોસલાવીને કપટ કરે છે. તેઓ સૌ દ્રોહી અને દગાખોર છે. ભઠિયારો ભઠ્ઠીનો તાપ ધીમો રાખે છે અને લોટ બાંયા પછી ખમીર ચઢે ત્યારે જ અગ્નિ સંકોરીને તાપ વધારે છે. તમારો ધૂંધવાતો તિરસ્કાર પણ એવા ભારેલા અગ્નિ જેવો છે. રાજાના ઉત્સવને દિવસે રાજાને અને અધિકારીઓને તેમણે ખૂબ દારૂ પીવડાવ્યો, એટલે સુધી કે તેમને ભાન ન રહ્યું. તપાવેલી ભઠ્ઠીની જેમ તેઓ તેમના પ્રપંચમાં સળગતા રહ્યા. આખી રાત તેમનો રોષ ધૂંધવાતો રહ્યો અને સવારે તો જવાળાઓમાં ભભૂકી ઊઠયો. તેમના ભભૂકી ઊઠેલા ક્રોધમાં તેઓ તેમના શાસકોને મારી નાખે છે. એમ તેમણે તેમના રાજાઓને એક પછી એક મારી નાખ્યા છે; પણ મદદ માટે કોઈ મને પ્રાર્થના કરતા નથી.” પ્રભુ કહે છે, “એફ્રાઈમ, મારા લોક, એક બાજુએ શેકેલી રોટલી જેવા છે. તેઓ આજુબાજુની પ્રજાઓ ઉપર આધાર રાખે છે, અને સમજતા નથી કે વિદેશીઓ પર રાખેલો આધાર તેમની શક્તિ લૂંટી લે છે. તેમના દિવસો ભરાઈ ચૂક્યા છે, પણ તેની તેમને ખબર નથી. ઇઝરાયલના લોકોનો ઘમંડ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે. એ બધું બન્યા છતાં તેઓ તેમના પ્રભુ પરમેશ્વર પાસે પાછા ફર્યા નથી. ભોળા કબૂતરની જેમ એફ્રાઇમ મદદ માટે ફાંફાં મારે છે; પહેલાં તેના લોકો ઇજિપ્તની મદદ માગે છે અને પછી તેઓ આશ્શૂર તરફ દોડે છે! પણ તેઓ ત્યાં જતાં હોય તેવામાં હું જાળ બિછાવીને તેમને પક્ષીઓની માફક પકડી લઈશ, ને તેમની ભૂંડાઈ માટે હું તેમને સજા કરીશ. “તેમની કેવી દુર્દશા થશે! મને તરછોડીને તેમણે બળવો કર્યો છે. તેમનો સદંતર નાશ થશે. હું તેમને છોડાવવા માગતો હતો. પણ તેઓ તો મારે વિષે જુઠાણી વાતો ચલાવે છે. તેમણે ખરા દિલથી મને પ્રાર્થના કરી નથી. એથી ઊલટું, તેઓ વિધર્મીઓની માફક જમીન પર આળોટે છે અને રડે છે. જ્યારે તેઓ અનાજ અને દ્રાક્ષાસવ માટે પ્રાર્થના કરે છે ત્યારે વિધર્મીઓની માફક તેઓ પોતાને ઘાયલ કરે છે. તેઓ કેવા બંડખોર છે! જો કે મેં તેમની ઉન્‍નતિ કરી અને તેમને બળવાન બનાવ્યા તો પણ તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ કરે છે. તેઓ મને તરછોડીને નિર્માલ્ય દેવતાઓ પાછળ ભમ્યા કરે છે. તેઓ નિશાન ચૂકવી દે એવા વાંકા ધનુષ્ય જેવા છે. તેમના આગેવાનો તેમની ઘમંડી વાતોને લીધે ક્રૂર મોતે મરશે અને ઇજિપ્તવાસીઓ તેમની મશ્કરી ઉડાવશે.” પ્રભુ કહે છે, “રણશિંગડું વગાડો, શત્રુઓ મારા દેશ પર ગરુડની પેઠે ઊતરી આવ્યા છે. મારા લોકોએ તેમની સાથે કરેલો મારો કરાર તોડયો છે અને મારા નિયમ વિરુદ્ધ બંડ પોકાર્યું છે. જો કે તેઓ મને મદદ માટે પોકારે છે અને કહે છે, ‘ઓ ઇઝરાયલના પરમેશ્વર, અમે તમને સ્વીકારીએ છીએ,’ તો પણ જે સારું છે તેનો તેમણે અનાદર કર્યો છે. એને લીધે તેમના શત્રુઓ તેમની પાછળ પડશે. “મારા લોકોએ મારી સંમતિ વિના રાજાઓ સ્થાપ્યા છે અને મને પૂછયા વિના આગેવાનો પસંદ કર્યા છે. તેમણે પોતાના નાશ માટે સોનારૂપાની મૂર્તિઓ બનાવી છે, સમરૂનના લોકો સોનાના વાછરડાની પૂજા કરે છે. હું તે ધિક્કારું છું અને મારો ક્રોધ તેમની વિરુદ્ધ સળગી ઊઠયો છે. તેઓ ક્યારે મૂર્તિપૂજાનો ત્યાગ કરશે? ઇઝરાયલના કારીગરે મૂર્તિ બનાવી પણ તે કંઈ ઈશ્વર નથી. સમરૂનમાં પૂજાનાર સોનાના વાછરડાના ટુકડેટુકડા કરી નાખવામાં આવશે. જો તેઓ પવન વાવે તો વંટોળિયો લણશે! ખેતરમાં અનાજ ન પાકે તો ખોરાક ન મળે. છતાં કદાચ અનાજ પાકે તો વિદેશીઓ તે ખાઈ જશે. ઇઝરાયલના લોકો બીજી પ્રજાઓમાં ભળી ગયા છે અને ભાંગેલા વાસણ જેવા નકામા થઈ ગયા છે. તેઓ સ્વછંદી જંગલી ગધેડાની જેમ પોતપોતાને માર્ગે ભટકે છે. તેઓ આશ્શૂરની મદદ માગવા ગયા છે. એફ્રાઇમના લોકોએ તેમના રક્ષણ માટે પોતાનાં મિત્ર રાજ્યોને પૈસા ચૂકવ્યા છે. પણ હવે હું તેમને એકઠા કરીને સજા કરીશ. થોડા જ સમયમાં આશ્શૂરનો રાજા તેમના પર જુલમ ગુજારશે એટલે તેઓ દુ:ખથી બેવડા વળી જશે. જેમ વેદીઓ વધારે તેમ પાપ વધારે; કારણ, એફ્રાઈમના લોકો વેદીઓ બાંધીને પાપ વધારે છે. જો કે મારા લોકને માટે મારા નિયમશાસ્ત્રમાં હું હજારો વિધિઓ ઠરાવું, તોય તેઓ તેમને વિચિત્ર અને પરાયા ગણીને તેમનો અનાદર કરશે. તેમને બલિદાનો ચડાવવાનું અને તેમનું માંસ ખાવાનું ગમે છે, પણ હું પ્રભુ તેમના પર પ્રસન્‍ન નથી અને હું તેમનાં પાપ સ્મરણ કરીને તેમને સજા કરીશ; હું તેમને પાછા ઇજિપ્ત મોકલી દઈશ. “ઇઝરાયલના લોકોએ મહેલો બાંયા છે, પણ પોતાના સર્જકને ભૂલી ગયા છે. યહૂદિયાના લોકોએ કિલ્લેબંદીવાળાં નગરો બાંધ્યાં છે, પણ હું આગ મોકલીને તેમના મહેલો અને કિલ્લાઓને ભસ્મ કરી નાખીશ.” હે ઇઝરાયલના લોકો, વિધર્મીઓની જેમ ઉત્સવ ઉજવવાનું બંધ કરો. તમે તમારા ઈશ્વર પાસેથી ભટકી જઈને તેમને બેવફા નીવડયા છો. તમે સમગ્ર દેશમાં દેવદાસીઓની જેમ બઆલને વેચાયા છો, અને એના તરફથી જ અનાજ મળે છે એમ ધારીને તમે તે ઇચ્છયું છે. પણ થોડા જ સમયમાં અનાજની ખળીઓમાંથી અનાજ અને દ્રાક્ષાકુંડમાંથી દ્રાક્ષાસવ ખલાસ થઈ જશે અને નવા દ્રાક્ષારસની ખોટ પડશે. ઇઝરાયલના લોકો પ્રભુના દેશમાં રહેવા પામશે નહિ અને એફ્રાઇમને ઇજિપ્તમાં પાછા જવું પડશે અને આશ્શૂર દેશમાં નિષિદ્ધ ખોરાક ખાવો પડશે. પરદેશમાં તેઓ ઈશ્વરને દ્રાક્ષાસવનાં પેયાર્પણો ચડાવી શકશે નહિ અથવા બલિદાનો અર્પી શકશે નહિ. મૃત્યુ પ્રસંગે ખવાતા ખોરાકની જેમ તેમનો ખોરાક અપવિત્ર થશે અને ખાનારા બધા અશુદ્ધ થશે. તેમનો ખોરાક માત્ર ભૂખ ભાગવા માટે જ વપરાશે અને તેમનું કંઈપણ પ્રભુના મંદિરમાં અર્પણ તરીકે લવાશે નહિ. જ્યારે પ્રભુનાં મુકરર પર્વો આવશે ત્યારે તમે શું કરશો? વિનાશમાંથી ઊગરવા લોકો નાસી છૂટશે ત્યારે ઇજિપ્તીઓ તેમને એકઠા કરીને મેમ્ફીસ નામના સ્થળે દફન કરવા માટે લઈ જશે. તેમના રૂપાના દાગીના ઝાંખરામાં પડશે અને તેમનાં ઘરની જગ્યાએ કાંટા ઊગી નીકળશે. શિક્ષાનો સમય આવ્યો છે. બદલો લેવાના દિવસો આવી લાગ્યા છે. એ બધું બનશે ત્યારે ઇઝરાયલને ખબર પડશે. તમે કહો છો, “આ સંદેશવાહક મૂર્ખ છે, અને આ ઈશ્વર પ્રેરિત માણસ પાગલ છે.” પાપને લીધે તમે મારો આટલો તિરસ્કાર કરો છો. ઈશ્વરે એફ્રાઈમને એટલે, પોતાના લોકને ચેતવણી આપવા માટે મને સંદેશવાહક તરીકે મોકલ્યો છે. છતાં જ્યાં જ્યાં હું જઉં છું ત્યાં ત્યાં તમે મને પક્ષીની જેમ જાળમાં ફસાવવા માગો છો. ઈશ્વરના સંદેશવાહકના શત્રુઓ તેમના મંદિરમાં જ છે. અગાઉ ગિબ્યામાં જે કામો હતાં તેવાં તેમનાં કામ અતિ ભૂંડા છે. ઈશ્વર તેમનાં પાપ યાદ રાખીને તેમને સજા કરશે. પ્રભુ કહે છે, “જ્યારે મેં ઇઝરાયલને પ્રથમ શોધી કાઢયો ત્યારે તે જંગલી દ્રાક્ષ જેવો હતો. અને જ્યારે મેં તમારા પૂર્વજોને પ્રથમ જોયા ત્યારે મેં તેમને ઋતુનાં પ્રથમ પાકા અંજીર જેવા જોયા. પણ તેઓ પેઓરના પર્વત પાસે આવ્યા ત્યારે તેમણે બઆલની પૂજા શરૂ કરી અને થોડા જ સમયમાં તેઓ તેમના આરાધ્ય દેવતાઓના જેવા ધૃણાપાત્ર બની ગયા. એફ્રાઈમની મહત્તા પક્ષીની જેમ ઊડી જશે. તેમને ન તો બાળકોનો જન્મ થશે, ન તો સ્ત્રીઓ ગર્ભવતી થશે કે ન તો ગર્ભાધાન થશે. અને જો કે તેઓ બાળકો ઉછેરે તો હું તેમને ઉપાડી લઈશ અને એકેય જીવતું બચશે નહિ. હું આ લોકોને તરછોડી દઈશ ત્યારે તેમની દુર્દશા થશે.” હે પ્રભુ, એફ્રાઈનાં સંતાન શિકાર થવાં નિર્માયાં છે. અને હું તેમને માર્યાં જતાં જોઉં છું. તેથી ઓ પ્રભુ, આ લોકો માટે કેવી પ્રાર્થના કરું? એ જ કે તેમની સ્ત્રીઓને ગર્ભપાત થાય અને તેમનાં સ્તનોનું દૂધ સુકાઈ જાય! પ્રભુ કહે છે, “તેમનાં બધાં ભૂંડાં કામ ગિલ્ગાલમાં શરૂ થયાં. ત્યાં જ મને તેમના પર તિરસ્કાર આવ્યો અને તેમનાં ભૂંડાં કામોને લીધે હું તેમને મારા દેશમાંથી હાંકી કાઢીશ. હું હવેથી તેમના પર જરાય પ્રેમ રાખીશ નહિ. તેમના બધા જ આગેવાનોએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે. એફ્રાઇમના લોકો તો સુકાઈ ગયેલા મૂળવાળા ફળહીન છોડ જેવા છે. તેમને બાળકો નથી અને કદાપિ તેમને બાળકો થાય તો તેમનાં પ્રિય બાળકોનો હું સંહાર કરીશ.” મારા ઈશ્વર તેમનો નકાર કરશે, કારણ, તેમણે તેમનું સાંભળ્યું નથી. તેથી તેઓ વિદેશી પ્રજાઓમાં ભટકશે. ઇઝરાયલના લોકો દ્રાક્ષોથી ભરપૂર ઘટાદાર દ્રાક્ષવેલા જેવા હતા. જેમ જેમ તેઓ ફળવંત થતા ગયા તેમ તેમ તેઓ વેદીઓ વધારતા ગયા. જેમ જેમ જમીનની પેદાશ વધતી ગઈ તેમ તેમ તેમના પૂજાસ્તંભોને વધારે ને વધારે શણગારતા ગયા. તેમનાં હૃદયો કપટી છે, અને હવે પોતાનાં પાપ માટે તેમણે સહન કરવું પડશે. ઈશ્વર તેમની વેદીઓ તોડી પાડશે અને તેમના પૂજાસ્તંભોનો નાશ કરશે. આ લોકો થોડા જ સમયમાં કહેશે, “અમારો કોઈ રાજા નથી, કારણ, આપણે ઈશ્વરની બીક રાખી નથી અને રાજા હોય તો પણ આપણને શા કામનો?” તેઓ માત્ર મિથ્યા વાતો કરે છે, જુઠ્ઠાં વચનો આપે છે અને નકામા કરારો કરે છે! ખેતરના ચાસમાં ઊગી નીકળતા ઝેરી છોડવાઓ જેવો તેમનો ન્યાય અન્યાયમાં ફેરવાઇ ગયો છે. સમરૂનના રહેવાસીઓ ભયભીત થશે અને બેથેલનો સોનાનો વાછરડો ઉપાડી જવામાં આવતાં તેઓ શોક કરશે. તેઓ અને તેના પૂજારી યજ્ઞકારો તેને લીધે કલ્પાંત કરશે. તેનો મહિમા ચાલ્યો જતાં તેઓ રોકકળ કરશે. તે વાછરડાની મૂર્તિ જ નજરાણાં તરીકે આશ્શૂરના સમ્રાટ પાસે લઈ જવાશે. પોતે અનુસરેલી સલાહને લીધે ઇઝરાયલના લોકો અપમાનિત અને લજ્જિત થશે. તેમનો રાજા પાણીમાં તરતી ચીપટની જેમ તણાઈ જશે. ઇઝરાયલના લોકોનાં મૂર્તિપૂજાનાં તમામ ભૂંડા ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવશે. તેમની વેદીઓ ઉપર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે. લોકો પર્વતોને હાંક મારશે, “અમને સંતાડો!” અને ટેકરીઓને વિનવશે, “અમને ઢાંકી દો!” પ્રભુ કહે છે, “ઇઝરાયલના લોકોએ ગિબ્યામાં તેમના પાપની શરૂઆત કરી ત્યારથી પાપ કરવાનું ચાલુ રાખ્યું છે. તેથી એ દુષ્ટોને લડાઈ ગિબ્યા પાસે જ ઝડપી લેશે. આ પાપી લોકોને હું અચાનક ત્રાટકીને ગમે ત્યારે સજા કરીશ. પ્રજાઓ તેમની વિરુદ્ધ એકત્ર થશે અને તેમનાં બમણા પાપ માટે તેમને સજા થશે. “એક સમયે એફ્રાઇમની પ્રજા અનાજ મસળવા માટે તૈયાર કરેલી એવી પલોટાયેલી વાછરડી જેવી હતી. પણ મેં તેની સુંદર ડોક પર ધુંસરી મૂકી અને સખત કામ કરવા મેં તેને હળ સાથે જોતરી. મેં યહૂદિયા પાસે ખેડ કરાવી અને ઇઝરાયલ પાસે ખેડેલી જમીન સમતળ કરાવી. મેં કહ્યું, ‘તમારે માટે પડતર જમીનનું ખેડાણ કરો, નેકી વાવો અને મારા પ્રત્યેની તમારી નિષ્ઠાથી મળતી ફસલ પ્રાપ્ત કરો. હું આવીને તમારા પર આશિષની વૃષ્ટિ કરું ત્યાં સુધી મારી પાસે હા, તમારા પ્રભુ પાસે પાછા ફરવાનો આ સમય છે’. પણ તમે તો તેને બદલે ભૂંડાઈ વાવી છે અને ફસલમાં દુષ્ટતા પામ્યા છો. તમે તમારા જુઠાણાનું પરિણામ ભોગવ્યું છે. “તમે તમારા રથો પર અને સૈન્યબળ પર ભરોસો રાખ્યો છે. તેથી તમારા લોક પર લડાઈ આવી પડશે; અને તમારા બધા કિલ્લાઓ તોડી પાડવામાં આવશે. લડાઈમાં શાલ્માન રાજાએ બેથ-આર્બેલ શહેરનો નાશ કર્યો અને માતાઓને બાળકો સાથે પછાડી મારવામાં આવી તે દિવસના જેવું થશે. હે બેથેલના લોકો, તમારી પણ એ જ દશા થશે. કારણ, તમે ભારે દુષ્ટતા આચરી છે. લડાઈની શરૂઆતમાં જ ઇઝરાયલનો રાજા માર્યો જશે.” પ્રભુ કહે છે, “જ્યારે ઇઝરાયલ બાળક હતો ત્યારે મેં તેના પર પ્રેમ રાખ્યો અને ઇજિપ્તમાંથી મેં તેને મારા પુત્ર તરીકે બોલાવી લીધો. પણ જેમ જેમ હું તેને બોલાવતો રહ્યો તેમ તેમ તે મારાથી દૂર થતો ગયો. તેમણે બઆલને બલિદાનો ચડાવ્યાં ને મૂર્તિઓ આગળ ધૂપ બાળ્યો. મેં જ એફ્રાઇમને ચાલતાં શીખવ્યું. મેં જ તેમને મારા હાથમાં ઉછેર્યા. પણ મેં તેમની સારસંભાળ લીધી છે એવું તેમણે સ્વીકાર્યું નહિ. મમતા અને પ્રેમથી મેં તેમને મારી તરફ ખેંચ્યા. મેં તેમને ઉઠાવીને ગાલસરસા ચાંપ્યા અને તેમને લળી લળીને ખવડાવ્યું. પણ તેમણે મારી તરફ પાછા ફરવાનો ઇનકાર કર્યો છે એટલે તેમણે ઇજિપ્તમાં પાછા જવું પડશે અને આશ્શૂર તેમના પર રાજ કરશે. તેમનાં શહેરોમાં લડાઈ વ્યાપી જશે; શહેરોના દરવાજાઓ તોડી પડાશે અને મારા લોકનો વિનાશ કરાશે કારણ, તેઓ પોતાની મરજી મુજબ વર્તે છે. મારા લોકનું વલણ મારાથી વિમુખ થવાનું છે. તેમના પર લાદવામાં આવેલી ધૂંસરીને લીધે તેઓ પોક મૂકશે પણ કોઈ તે ઉઠાવી લેશે નહિ. હે એફ્રાઈમ, હું તને કેવી રીતે તજી દઈ શકું? હું તને કેવી રીતે તરછોડું? આદમા નગરના જેવો તમારો નાશ કરું? અથવા તારા પ્રત્યે સબોઈમના જેવો વર્તાવ કરું? મારું મન મને એમ કરવા દેશે નહિ. કારણ, તમારા પ્રત્યેનો મારો પ્રેમ પ્રબળ છે. હું મારા કોપમાં તમને સજા કરીશ નહિ, હું એફ્રાઈમનો બીજીવાર નાશ કરીશ નહિ; કારણ, હું ઈશ્વર છું, માણસ નહિ. હું, પવિત્ર ઈશ્વર તમારી સાથે છું; તમારી પાસે હું કોપાયમાન થઈને આવીશ નહિ. “હું પ્રભુ તેમના શત્રુઓ પર સિંહની જેમ ગર્જીશ અને મારા લોક મને અનુસરશે. તેઓ પશ્ર્વિમમાંથી મારી પાસે ઉતાવળે આવશે. તેઓ પક્ષીઓની ઝડપે ઇજિપ્તથી અને કબૂતરોની જેમ આશ્શૂરથી આવશે. હું તેમને તેમના વતનમાં પાછા લાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.” પ્રભુ કહે છે, “ઇઝરાયલના લોકોએ મને જુઠાણાથી અને એફ્રાઈમના લોકોએ મને ઠગાઇથી ઘેરી લીધો છે. યહૂદિયાના લોકો મારી એટલે તેમના વિશ્વાસુ અને પવિત્ર ઈશ્વર વિરુદ્ધ બળવો કરે છે.” એફ્રાઈમના લોકો આખો દિવસ નકામાં અને નુક્સાનકારક કામોમાં રચ્યાપચ્યા રહે છે. દગાખોરી અને હિંસાના બનાવો વધી રહ્યા છે. તેઓ આશ્શૂર દેશ સાથે કરાર કરે છે અને ઇજિપ્તમાં તેલની ખંડણી મોકલે છે. પ્રભુને યહૂદિયાના લોકો વિરુદ્ધ આરોપ છે અને ઇઝરાયલના લોકોની વર્તણૂક માટે તે તેમને સજા કરવાના છે. તેમના પૂર્વજ યાકોબે ગર્ભસ્થાનમાં પોતાના જોડક્ભાઈ એસાવની એડી પકડી અને તે મોટો થયો ત્યારે ઈશ્વર સાથે બાથ ભીડી. હા, તે દૂતની સામે પણ ઝઝૂમ્યો અને ટક્કર લીધી. તેણે રડીને આશિષની માગણી કરી. ઈશ્વર આપણા પૂર્વજ યાકોબને બેથેલમાં મળ્યા અને ત્યાં તેની સાથે વાત કરી. એ તો સર્વશક્તિમાન ઈશ્વર યાહવે હતા. યાહવે એ નામથી જ તેમની ભક્તિ થવી જોઈએ. તે માટે, હે યાકોબના વંશજો, તમારા ઈશ્વર તરફ પાછા ફરો! પ્રેમ અને ન્યાય જાળવી રાખો અને તમારા ઈશ્વરની નિરંતર ઝંખના રાખો. પ્રભુ કહે છે, “ઇઝરાયલના લોકો કનાનીઓ જેટલા જ અપ્રામાણિક છે. તેઓ પોતાના ગ્રાહકોને ખોટાં ત્રાજવાં રાખી છેતરે છે. તેઓ કહે છે, ‘અમે ધનવાન થઈ ગયા છીએ; અમે સંપત્તિ પ્રાપ્ત કરી છે. અમારી પાસે અપ્રામાણિક કમાણીનો એક પૈસોય નથી.’ પણ તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો પ્રભુ પરમેશ્વર છું, હું તમારી પાસે વેરાનપ્રદેશમાં આવ્યો ત્યારે તમે રહેતા હતા તેમ ફરીથી તમને તંબૂઓમાં રહેતા કરી દઈશ. “હું સંદેશવાહકો સાથે બોલ્યો અને તેમને ઘણાં દર્શનો આપ્યાં. સંદેશવાહકો દ્વારા મારા લોકોને મેં ચેતવ્યા છે. છતાં ગિલ્યાદમાં મૂર્તિઓની પૂજા થાય છે, અને તેમને પૂજનારા માર્યા જશે. ગિલ્ગાલમાં આખલાઓનો બલિ ચડાવવામાં આવે છે એટલે વેદીઓ ખેતરોમાંના પથ્થરના ઢગલા સમાન થઈ જશે.” આપણા પૂર્વજ યાકોબને મેસોપોટેમિયામાં નાસી જવું પડયું. ત્યાં પત્ની મેળવવા માટે તેણે બીજા માણસનાં ઘેટાં સાચવવાનું કામ કર્યું. ઇઝરાયલના લોકોને ગુલામીના બંધનમાંથી મુક્ત કરવા અને તેમની સંભાળ લેવા પ્રભુએ પોતાના સંદેશવાહકને ઇજિપ્તમાં મોકલ્યો. ઇઝરાયલના લોકોએ ભારે રોષ ચડાવ્યો છે તેમના ગુના માટે તેઓ મૃત્યુદંડને લાયક છે; તેમણે ઈશ્વરની માનહાનિ કરી હોવાથી તે તેમને સજા કરશે. અગાઉ એફ્રાઈમનું કુળ બોલતું ત્યારે લોકો ધ્રૂજતા. તે ઇઝરાયલના બધા કુળોમાં સન્માન પામતું. પણ બઆલની પૂજા કરીને તેઓ પાપમાં પડયા અને તે માટે તેઓ માર્યા જશે. છતાં તેઓ હજી વધુ ને વધુ પાપ કરે છે અને પૂજા કરવા રૂપાની પ્રતિમાઓ બનાવે છે; એ તો માણસની કલ્પના પ્રમાણે કારીગરના હાથે ઘડાયેલી મૂર્તિઓ જ છે. છતાં તેઓ કહે છે, “હે માણસો, તમે તેને બલિદાનો ચડાવો! આખલાની મૂર્તિને ચુંબન કરો!” તેથી તેઓ પ્રભાતના ધૂમ્મસની જેમ અને સવારના ઝાકળની જેમ જલદીથી ઊડી જશે. તેઓ અનાજના ખળામાંથી ઊડી જતા ભૂસા જેવા અથવા ધૂમાડિયામાંથી નીકળતા ધૂમાડા જેવા થશે. પ્રભુ કહે છે, “હું તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર તમારો પ્રભુ પરમેશ્વર છું. મારા સિવાય તમારે કોઈ બીજો ઈશ્વર ન હોય. હું જ તમારો ઉદ્ધારક ઈશ્વર છું. સૂકા અને નિર્જળ પ્રદેશમાં મેં તમારું પાલન કર્યું. પણ તમે સારા દેશમાં આવ્યા એટલે પુષ્ટ અને તૃપ્ત થયા અને પછી ગર્વિષ્ઠ થઈને મને ભૂલી ગયા. પરિણામે, હું તમારા પર સિંહની જેમ ત્રાટકીશ અને ચિત્તાની જેમ હું તમારા માર્ગ પર લપાઈને રાહ જોઈશ. પોતાનાં બચ્ચાં ગુમાવ્યાં હોય તેવી રીંછડીની જેમ હું તમારા પર હુમલો કરીશ અને તમારી છાતી ચીરી નાખીશ. સિંહણની જેમ હું તમારો સ્થળ પર જ ભક્ષ કરીશ, અને જંગલી પશુની માફક હું તમારા ટુકડેટુકડા કરીશ. “હે ઇઝરાયલના લોકો, હું તમારો વિનાશ કરીશ ત્યારે તમારી મદદ કરનાર કોણ હશે? તમારાં સર્વ નગરોમાં તમારું રક્ષણ કરવા માટે તમે રાજાઓ અને આગેવાનોની માગણી કરી. પણ તેઓ દેશને કેવી રીતે બચાવી શકે? મારા ગુસ્સામાં મેં તમને રાજા આપ્યો અને મારા ક્રોધમાં મેં તેને લઈ લીધો. એફ્રાઈમમાં પાપ અને દોષ નોંધાયેલાં છે અને એ બધી નોંધોનો સંગ્રહ સલામત રીતે સાચવી રાખવામાં આવ્યો છે. ઇઝરાયલને જીવતા રહેવાની તક છે. પણ પોતાની માને પ્રસૂતિની વેદના ઊપડી હોય અને છતાં બાળક ઉદર બહાર આવવા માગે નહિ તેના જેવું તે મૂર્ખ છે. શું હું એ લોકોને મૃત્યુલોક શેઓલથી બચાવું? હું એમને મૃત્યુમાંથી છોડાવું? અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? ઓ મૃત્યુલોક શેઓલ, તારો વિનાશ ક્યાં છે? હું આ લોકો પર હવે દયા દર્શાવીશ નહિ. પોતાના ભાઈઓમાં એફ્રાઈમ ફળદ્રુપ થાય તો પણ હું રણપ્રદેશમાંથી પૂર્વનો ગરમ પવન મોકલીશ અને તે તેનાં સઘળાં ઝરણાં અને જળાશય સૂકવી નાખશે. તે સર્વ મૂલ્યવાન બાબતો ઘસડી જશે. ઈશ્વરની વિરુદ્ધ બળવો કરવા માટે સમરૂનને સજા થવી જ જોઈએ. તેના લોકો લડાઈમાં માર્યા જશે. તેમનાં બાળકોને જમીન પર પછાડી મારવામાં આવશે અને ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે.” હે ઇઝરાયલના લોકો, તમારા પ્રભુ પરમેશ્વર પાસે પાછા આવો. તમારાં પાપોએ ઠોકર ખવડાવીને તમને પાડી નાખ્યા છે. તમારી કબૂલાત સાથે તેની પાસે પાછા આવો અને કહો, “અમારાં પાપનું નિવારણ કરો અને કૃપા કરી અમારો સ્વીકાર કરો. અમે આખલાના અર્પણની જેમ અમારા મુખેથી તમને સ્તુત્યાર્પણ ચડાવીશું. આશ્શૂર દેશ અમને બચાવી શકે નહિ અને યુદ્ધના ઘોડાઓ અમને રક્ષણ આપી શકે નહિ. હવે અમે મૂર્તિઓને નહિ કહીએ કે તમે અમારા ઈશ્વર છો. અમે કબૂલ કરીએ છીએ: હે પ્રભુ, અનાથો પર તમે દયા દર્શાવો છો.” પ્રભુ કહે છે, “હું મારા લોકને છોડાવીને મારી પાસે પાછા લાવીશ. હું તેમના પર મારા પૂરા દયથી પ્રેમ રાખું છું. હવે હું તેમના પર કોપાયમાન નથી. હું ઇઝરાયલી લોકો માટે ઝાકળરૂપ બનીશ અને તેઓ પોયણાંની માફક ખીલી ઊઠશે. લબાનોનનાં વૃક્ષોની જેમ તેમનાં મૂળ ઊંડાં જશે. તેઓ નવા ફણગાની જેમ ફૂટશે અને ઓલિવ વૃક્ષ જેવી શોભા ધારણ કરશે. લબાનોનના દેવદારની જેમ તેઓ સુવાસિત થશે. તેઓ ફરીથી મારી છાયામાં વસતા થશે. તેઓ વાડીની જેમ ફૂલશે અને ફાલશે અને દ્રાક્ષવેલાની જેમ ફળથી લચી પડશે. લબાનોનના દ્રાક્ષાસવની જેમ તેઓની કીર્તિ પ્રસરશે. એફ્રાઈમના લોકોને મૂર્તિઓ સાથે શો સંબંધ હોય? હું તેમની પ્રાર્થના સાંભળીશ અને તેમની સારસંભાળ રાખીશ. સતત લીલાછમ રહેતા દેવદારની જેમ હું તેમને છાયારૂપ થઈશ, તેમની બધી જ આશિષોનું ઉદ્ગમસ્થાન હું જ છું.” જે જ્ઞાની હોય તેણે અહીં લખેલી વાત સમજવી અને બુદ્ધિમાને તેને ગ્રહણ કરવી. પ્રભુના માર્ગો સત્ય છે અને નેક માણસો એમાં ચાલશે, પરંતુ પાપીઓ તેની અવગણના કરીને ઠોકર ખાશે. પથુએલના પુત્ર યોએલને પ્રભુ તરફથી મળેલો આ સંદેશ છે. નિષ્ફળ ગયેલા પાક માટે વિલાપ હે વયોવૃદ્ધ લોકો, લક્ષ દો, યહૂદિયામાંનું સૌ કોઈ સાંભળે. તમારા કે તમારા પૂર્વજોના સમયમાં આના જેવું ક્યારેય બન્યું છે? તમે તે તમારાં સંતાનોને જણાવો; તેઓ તેમનાં સંતાનોને અને તેમનાં સંતાનો પછીની પેઢીને એ વિષે કહેશે. તીડોનાં ટોળેટોળાં પાક પર બેઠાં; એક ટોળાએ જે બાકી રાખ્યું, તે બીજા ટોળાએ કાતરી ખાધું. હે નશાબાજો, જાગો અને વિલાપ કરો; હે શરાબીઓ, પોક મૂકો. નવો દ્રાક્ષાસવ બનાવવા માટેની દ્રાક્ષોનો નાશ થયો છે. તીડોનાં સૈન્યે આપણા દેશ પર આક્રમણ કર્યું છે; તેઓ શક્તિશાળી અને સંખ્યાબંધ છે; તેમના દાંત સિંહના દાંત જેવા તીક્ષ્ણ છે. તેમણે આપણા દ્રાક્ષવેલાઓનો નાશ કર્યો છે અને આપણી અંજીરીઓ કરડી ખાધી છે. ડાળીઓ સફેદ દેખાય ત્યાં સુધી તેમણે તેમની છાલ ઉખાડી ખાધી છે. પોતાના ભાવિ પતિના મરણને લીધે શોક્તુર એવી કન્યાની જેમ હે લોકો, તમે પોક મૂકીને રડો. મંદિરમાં અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી; પ્રભુને ચઢાવવાનાં અર્પણો ન હોવાથી યજ્ઞકારો ઝૂરે છે. ખેતરો પાકવિહોણાં છે; ધાન્યનો નાશ થયો હોવાથી ધરતી ઝૂરે છે. દ્રાક્ષો સુકાઈ ગઈ છે અને ઓલિવવૃક્ષો કરમાઈ ગયાં છે. હે ખેડૂતો, દુ:ખી થાઓ, હે દ્રાક્ષવાડીના રખેવાળો, તમે પોક મૂકો, કારણ, ઘઉં અને જવ, અરે સઘળા પાકનો નાશ થયો છે. દ્રાક્ષવેલા અને અંજીરીઓ ચિમળાઈ ગયાં છે; બધાં ફળાઉ વૃક્ષો સુકાઈને મરી ગયાં છે. લોકોનો આનંદ અલોપ થયો છે. હે વેદીઓ આગળ સેવા કરનારા યજ્ઞકારો, કંતાન પહેરીને વિલાપ કરો! મંદિરમાં જઈને આખી રાત રુદન કરો! તમારા ઈશ્વરને અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી. ઉપવાસનો આદેશ આપો; સભા બોલાવો! તમારા ઈશ્વર પ્રભુના મંદિરમાં આગેવાનો અને યહૂદિયાના સર્વ લોકોને એકઠા કરીને પ્રભુને પોકાર કરો! પ્રભુનો દિવસ, એવો દિવસ કે જ્યારે સર્વસમર્થ વિનાશ લાવશે, તે નજીક છે. એ દિવસ કેવી ભયંકરતા લાવશે! આપણા પાકનો નાશ થયો હોઈ આપણે નિ:સહાય છીએ. આપણા ઈશ્વરના મંદિરમાં કોઈ આનંદ નથી. સૂકી ભૂમિમાં બીજ સુકાઈને મરી જાય છે. સંગ્રહ કરવા માટે કોઈ અનાજ જ નથી, તેથી ખાલી કોઠારો ભંગાર હાલતમાં છે. પશુઓ ત્રાસ પામી ભાંભરે છે, કારણ, તેમને માટે ચારો નથી; ઘેટાંનાં ટોળાં પણ સહન કરી રહ્યાં છે. હે પ્રભુ, હું તમને પોકારું છું. કારણ, ચરિયાણ અને વૃક્ષો સુકાઈ ગયાં છે, જાણે કે અગ્નિમાં બાળી નંખાયાં ન હોય! વન્યપશુઓ પણ તમને હાંક મારે છે. કારણ, ઝરણાં સુકાઈ ગયાં છે. સિયોન પર્વત પર, ઈશ્વરના પવિત્ર પર્વત પર, રણશિંગડું વગાડો; ચેતવણીનું બ્યુગલ વગાડો. હે યહૂદિયાના લોકો, કાંપો, કારણ, પ્રભુનો દિવસ જલદી આવી રહ્યો છે. એ તો અંધારાનો અને ઉદાસીનતાનો, કાળો અને વાદળાંવાળો દિવસ હશે. પર્વતો પર પથરાઈ જતા અંધકારની જેમ તીડોનું મોટું સૈન્ય આગળ વધી રહ્યું છે. એના જેવું કદી થયું નથી કે હવે થવાનું નથી. તેઓ અગ્નિની જેમ છોડવાઓ ભરખી જાય છે. તેમની આગળ જુઓ તો દેશ એદનવાડી જેવો લાગે; પણ તેમની પાછળ તે વેરાન રણ બની જાય છે. એમનાથી કશું બાકી રહી જતું નથી. તેઓ ઘોડાઓ જેવા લાગે છે. તેઓ લડાઈના અશ્વોની જેમ દોડે છે. પર્વતોનાં શિખરો પર કૂદકા મારતાં તેઓ રથોના ગડગડાટ જેવો અવાજ કરે છે, સળગતા સૂકા ઘાસની જેમ તેઓ તડ તડ અવાજ કરે છે. યુદ્ધને માટે સજ્જ સૈન્યની જેમ તેઓ હારબંધ રહે છે. તેઓ જેમ આગળ વધે છે તેમ સૌ કોઈ ગભરાઈ જાય છે, પ્રત્યેક ચહેરો ફિક્કો પડી જાય છે. તેઓ લડવૈયાની જેમ હલ્લો કરે છે. સૈનિકોની જેમ તેઓ દીવાલ પર ચડી જાય છે. તેઓ સૌ સીધાં આગેકૂચ કરે છે, કોઈ પોતાની દિશા બદલતું નથી, કે એકબીજાના માર્ગમાં આડે આવતું નથી. તેઓ સંરક્ષણની આડશોમાં થઈને પાર જાય છે અને કશાથી તેમને રોકી શક્તાં નથી. તેઓ શહેર તરફ ધસે છે, તેઓ દીવાલો પર દોડે છે, તેઓ ઘરો પર ચડી જાય છે અને ચોરની માફક બારીઓમાં થઈને અંદર ધૂસી જાય છે. તેમની આગેકૂચ થતાં ધરતી ધ્રૂજે છે અને આકાશ થરથરે છે. સૂર્ય અને ચંદ્ર ઝાંખા પડી જાય છે અને તારાઓ ઝબૂક્તા મટી જાય છે. પ્રભુ ગર્જનાસહિત પોતાના સૈન્યને હુકમ કરે છે. તેમને આધીન થતી લશ્કરી ટુકડીઓ શક્તિશાળી અને સંખ્યાબંધ છે. પ્રભુનો દિવસ કેવો ભયંકર છે! તેનાથી કોણ બચી શકશે? પાપથી પાછા ફરવાનો પડકાર પ્રભુ કહે છે, “હજી પણ તમે ખરા દિલથી તમારા પાપથી પાછા ફરો અને ઉપવાસ, વિલાપ અને રુદન સાથે મારી તરફ ફરો. તમારાં ભગ્ન હૃદયોમાં શોક છે એવું દેખાવા દો, કારણ, તમે માત્ર તમારાં વસ્ત્રો ફાડો એટલું પૂરતું નથી. પ્રભુ, તમારા ઈશ્વર પાસે પાછા આવો. તે દયાળુ અને કરુણાથી ભરપૂર છે. તે ધીરજવાન છે અને પોતાનું વચન પાળે છે; તે શિક્ષા નહિ, પણ ક્ષમા કરવાને હમેશાં તત્પર છે. પ્રભુ તમારા ઈશ્વર પોતાનું મન કદાચ બદલે અને તમને વિપુલ પાકથી આશીર્વાદિત કરે. ત્યારે તો તમે તેમને ધાન્ય અને દ્રાક્ષાસવનાં અર્પણો ચઢાવી શકશો. સિયોન પર્વત પર રણશિંગડું વગાડો; ઉપવાસનો આદેશ આપો અને સભા બોલાવો. લોકોને એકત્ર કરો; તેમને પવિત્રસભા માટે તૈયાર કરો: વૃદ્ધોને લાવો; બાળકોને એકત્ર કરો. અરે, ધાવણાં બાળકોને પણ લાવો. નવપરિણીત દંપતી પણ પોતાનાં ઘર છોડીને આવે. વેદી અને મંદિરના પ્રવેશદ્વાર વચ્ચે રહીને પ્રભુની સેવા કરનારા યજ્ઞકારો વિલાપ સાથે પ્રાર્થના કરે: “પ્રભુ, તમારા લોક પર દયા દર્શાવો, જેથી ‘તેમનો ઈશ્વર ક્યાં છે?’ એમ કહીને અન્ય પ્રજાઓ અમારો તિરસ્કાર કે મશ્કરી ન કરે.” પછી પ્રભુએ પોતાના દેશ પ્રત્યે દરકાર દાખવી; પોતાના લોકો પર દયા દર્શાવી. તેમણે તેમને જવાબ આપ્યો: “હવે હું તમને ધાન્ય, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલ આપીશ, અને તમે તૃપ્ત થશો. બીજી પ્રજાઓ હવે તમારો તુચ્છકાર નહિ કરે. ઉત્તરમાંથી આવેલ તીડના સૈન્યને હું દૂર કરીશ; એમાંના કેટલાકને હું રણમાં નસાડી મૂકીશ. તેમની આગલી હારોનાં તીડ મૃત સમુદ્રમાં અને પાછલી હારોનાં તીડ ભૂમધ્ય સમુદ્રમાં ડૂબી જશે. તેમના મૃતદેહો ગંધાઈ ઊઠશે. તેમણે તમને કરેલા નુક્સાનને લીધે હું તેમનો નાશ કરીશ. હે ખેતરો, ભય ન પામો, પણ પ્રભુએ તમારે માટે કરેલાં કાર્યોને લીધે આનંદિત અને ઉલ્લાસી થાઓ.” પ્રાણીઓ, તમે પણ ગભરાશો નહિ, ઘાસનાં મેદાન લીલાંછમ છે; વૃક્ષોને ફળ લાગે છે, અને ઢગલાબંધ દ્રાક્ષો અને અંજીર થયાં છે. હે સિયોનવાસીઓ, આનંદ કરો, તમારા ઈશ્વર પ્રભુને લીધે હર્ષ પામો; કારણ, તેમણે શરદઋતુનો પૂરતો વરસાદ સમયસર આપ્યો છે. તે તમને નિયત સમયે શરદઋતુનો તેમ જ વસંતઋતુનો વરસાદ આપતા રહેશે. અનાજનાં ખળાં અનાજથી ભરાઈ જશે, પીલવાના કુંડ પાસેના ખાડાઓ દ્રાક્ષાસવ અને ઓલિવ તેલથી ઊભરાઈ જશે. તીડોનાં ટોળાં તમારો પાક ખાઈ ગયાં તે વર્ષોમાં તમે જે ગુમાવ્યું હતું તે હું તમને પાછું આપીશ. તમારી વિરુદ્ધ મેં જ એ સૈન્યને મોકલ્યું હતું. હવે તમારી પાસે ધરાઇને ખાવા માટે પુષ્કળ ખોરાક છે. તમારે માટે અદ્‍ભુત કાર્યો કરનાર તમારા ઈશ્વર પ્રભુની તમે સ્તુતિ કરશો. મારા લોક ફરી કદી તિરસ્કાર પામશે નહિ. ત્યારે હે ઇઝરાયલ, તું જાણશે કે હું તમારી મધ્યે છું, અને હું યાહવે તમારો ઈશ્વર છું, અને મારા સિવાય બીજો કોઈ નથી. મારા લોક ફરી કદી તિરસ્કાર પામશે નહિ. આખરી દિવસોમાં એમ થશે કે હું સર્વ માનવજાત પર મારો આત્મા રેડી દઇશ; તમારા પુત્રો અને પુત્રીઓ મારો સંદેશ પ્રગટ કરશે; તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, અને તમારા જુવાનોને સંદર્શનો થશે. તે સમયે હું મારો આત્મા સેવકો ઉપર, પુરુષો અને સ્ત્રીઓ બન્‍ને ઉપર રેડી દઈશ. આકાશમાં અને પૃથ્વી ઉપર હું ચેતવણીનાં ચિહ્નો દેખાડીશ; રક્તપાત, અગ્નિ અને ધૂમાડાનાં વાદળો થશે. પ્રભુનો એ મહાન અને ભયંકર દિવસ આવ્યા પહેલાં સૂર્ય અંધરાઈ જશે અને ચંદ્ર રક્ત સમાન લાલ બની જશે. પણ યાહવેને નામે સહાયને માટે વિનંતી કરનાર સૌ કોઈ બચી જશે. પ્રભુએ કહ્યું છે તેમ, “યરુશાલેમમાંથી કેટલાક બચી જશે; જેમને હું પસંદ કરું તેઓ બચી જશે.” પ્રભુ કહે છે, “તે સમયે હું યહૂદિયા અને યરુશાલેમની સમૃદ્ધિનું પુન: સંસ્થાપન કરીશ. હું સર્વ પ્રજાઓને યહોશાફાટ [અર્થાત્ ન્યાયૃની ખીણમાં લઈ આવીશ. મારા લોકો પર તેમણે જે વિતાડયું છે તેને લીધે હું ત્યાં તેમનો ન્યાય કરીશ. તેમણે ઇઝરાયલી લોકોને વિદેશોમાં વિખેરી નાખ્યા છે અને મારા દેશ ઇઝરાયલને વહેંચી લીધો છે. તેમણે પાસાં ફેંકીને બંદિવાનો વહેંચી લીધા અને વેશ્યાગમન અને શરાબને માટે તેમણે છોકરાં છોકરીઓને ગુલામ તરીકે વેચ્યાં છે. “હે તૂર, સિદોન અને સમગ્ર પલિસ્તિયા, તમે મને શું કરવા માગો છો? શું તમે મને કશાકનું ચુકવણું કરવા માગો છો. જો એમ હોય તો હું તમને તે તરત ચૂકવી દઈશ! તમે મારું સોનુંરૂપું પચાવી પાડયું છે અને મારો સમૃદ્ધ ખજાનો તમારા દેવમંદિરોમાં ઢસડી ગયા છો. તમે યહૂદિયા અને યરુશાલેમના લોકોને તેમના પોતાના દેશમાંથી લઈ જઈને તેમને ગ્રીકોને વેચી દીધા છે. હવે તમે તેમને જ્યાં વેચી દીધા છે તે સ્થાનોમાં હું તેમને મુક્ત કરીશ. તમે તેમના પ્રત્યે જેવું વર્તન દાખવ્યું છે તેવું જ વર્તન હું તમારા પ્રત્યે દાખવીશ. હું તમારા પુત્રો અને પુત્રીઓને યહૂદિયાના લોકોને વેચાતા અપાવીશ અને તેઓ તેમને દૂર દેશના શેબાના લોકોને વેચી દેશે. હું પ્રભુ એ બોલ્યો છું. પ્રજાઓમાં આ જાહેરાત કરો: ‘યુદ્ધને માટે સજ્જ થાઓ; તમારા યોદ્ધાઓને તેડાવો; તમારા સર્વ સૈનિકોને એકત્ર કરી કૂચ કરો! તમારા હળની પૂણીઓ ટીપીને તેમની તલવારો બનાવો અને તમારાં સોરવાનાં સાધનોના ભાલા બનાવો. તમારામાં સૌથી દુર્બળ હોય તે પણ લડાઈમાં ઊતરે. હે આસપાસની પ્રજાઓ, જલદી કરો, ખીણમાં આવીને એકત્ર થાઓ.” હે પ્રભુ, તેમના પર તૂટી પડવા તમારા સૈન્યને મોકલો! પ્રજાઓએ સજ્જ થઈ યહોશાફાટ [અર્થાત્ ન્યાયૃની ખીણમાં આવવું જ જોઈએ. ત્યાં હું પ્રભુ આસપાસની સર્વ પ્રજાઓનો ન્યાય કરવા બેસીશ. તેઓ તો નર્યા દુષ્ટ છે, તેમને કાપણી સમયના ધાન્યની જેમ લણી લો. ભરેલા દ્રાક્ષાકુંડમાંથી દ્રાક્ષાસવ વહેવા લાગે ત્યાં સુધી જેમ દ્રાક્ષોને ખૂંદવામાં આવે છે તેમ તેમને કચડી નાખો. ન્યાયની ખીણમાં હજારોહજાર ભેગાં થયાં છે. ત્યાં જ પ્રભુનો દિવસ જલદીથી આવશે. સૂર્ય અને ચંદ્ર અંધકારમય થઈ જશે અને તારાઓ પ્રકાશશે નહિ. સિયોન પર્વતમાંથી પ્રભુ ગર્જના કરે છે: યરુશાલેમમાંથી તેમની વાણી ગરજે છે; અને પૃથ્વી તથા આકાશ કાંપે છે. પણ તે પોતાના લોકનું તો રક્ષણ કરશે. “હે ઇઝરાયલ, ત્યારે તું જાણશે કે હું પ્રભુ તારો ઈશ્વર છું. હું સિયોન પર, મારા પવિત્ર પર્વત પર વસું છું. યરુશાલેમ પવિત્ર નગર બનશે અને વિદેશીઓ તેને ફરી ક્યારેય જીતી લેશે નહિ.” તે સમયે પર્વતો દ્રાક્ષવાડીઓથી છવાઈ જશે અને પ્રત્યેક ટેકરી પર ઢોરઢાંક હશે, સમગ્ર યહૂદિયા માટે પુષ્કળ પાણી ઉપલબ્ધ હશે. પ્રભુના મંદિરમાંથી એક ઝરણું વહેતું થશે અને અખાયા ખીણને પાણી પાશે. ઇજિપ્ત રણ બની જશે અને અદોમ વેરાન ખંડિયેર બની જશે, કારણ, તેમણે યહૂદિયાના લોકો પર આક્રમણ કરીને તેમાં નિર્દોષ માણસોને મારી નાખ્યા. હું માર્યા ગયેલા સૌનો બદલો લઈશ; દોષિતને હું શિક્ષા કર્યા સિવાય રહેવા દઈશ નહિ. પણ યહૂદિયા અને યરુશાલેમમાં તો સદાકાળ માટે વસવાટ થશે, અને હું પ્રભુ સિયોન પર્વત પર રહીશ.” યહૂદિયાના રાજા ઉઝ્ઝિયા અને ઇઝરાયલના રાજા એટલે યોઆશના પુત્ર યરોબઆમના શાસનકાળ દરમ્યાન ધરતીકંપ થયો, તેનાં બે વર્ષ પહેલાં તકોઆ નગરના ભરવાડ આમોસને ઇઝરાયલ વિશે ઈશ્વર તરફથી આ સંદેશ પ્રગટ થયો. આમોસે કહ્યું, “પ્રભુ સિયોનમાંથી ગર્જના કરે છે, યરુશાલેમમાંથી તેમની વાણી ગાજે છે. ભરવાડોનાં ગૌચર સુકાઈ જાય છે, અને ર્કામેલના શિખર પરનું ઘાસ કરમાઈ જાય છે.” પ્રભુ કહે છે: “દમાસ્ક્સના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે ગિલ્યાદ પર કાળો કેર વર્તાવ્યો છે. એ માટે હું હઝાએલ રાજાએ બંધાવેલા મહેલો પર અગ્નિ વરસાવીશ અને બેનહદાદ રાજાના કિલ્લાઓને ભસ્મ કરી નાખીશ. હું દમાસ્ક્સ શહેરના દરવાજાના ભુકા બોલાવીશ. હું આવેન [અર્થાત્ દુષ્ટતાનીૃ ખીણના રહેવાસીઓનો અને બેથ-એદેનના રાજર્ક્તાઓનો સંહાર કરીશ. અરામના લોકો કીરપ્રદેશમાં બંદીવાન તરીકે લઈ જવાશે.” પ્રભુ કહે છે: “ગાઝાના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે એક આખી પ્રજાને ગુલામ તરીકે અદોમને વેચી દીધી. એ માટે હું ગાઝાના કોટ પર અગ્નિ વરસાવીશ અને હું આશ્દોદ અને આશ્કલોન નગરોના રાજર્ક્તાઓના કિલ્લા ભસ્મ કરી નાખીશ. હું એક્રોન શહેરને સજા કરીશ, ને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે.” પ્રભુ કહે છે: “તૂરના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેઓ એક આખી પ્રજાને અદોમની ગુલામીમાં લઈ ગયા અને તેમણે મિત્રતાનો કરાર પાળ્યો નહિ. એ માટે હું તૂરના કોટ પર અગ્નિ વરસાવીશ અને તેના કિલ્લા ભસ્મ કરી નાખીશ.” પ્રભુ કહે છે: “અદોમના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેઓ તલવાર લઈને પોતાના ભાઈ ઇઝરાયલની પાછળ પડયા અને તેમના પર કંઈ દયા દાખવી નહિ. તેમના ક્રોધાવેશને કોઈ સીમા નહોતી અને તેમનો રોષ કદી શમ્યો જ નહિ. એ માટે હું તેમાન નગર પર અગ્નિ વરસાવીશ અને બોસ્રાહના કિલ્લા ભસ્મ કરી નાખીશ.” પ્રભુ કહે છે: આમ્મોનના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. પોતાની સીમા વિસ્તારવા માટે તેમણે ગિલ્યાદની ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખ્યાં. એ માટે હું રાબ્બાના કોટ પર અગ્નિ વરસાવીશ અને તેના કિલ્લા બાળી નાખીશ. તે વખતે યુદ્ધના હોકારા થશે અને આંધીના જેવી ભીષણ લડાઈ ફાટી નીકળશે. તેમનો રાજા અને તેના સરદારો કેદીઓ તરીકે લઈ જવાશે. પ્રભુ કહે છે: “મોઆબના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે અદોમના રાજાનાં હાડકાંય બાળીને ભસ્મીભૂત કરી નાખ્યાં. એ માટે હું મોઆબ દેશ પર અગ્નિ વરસાવીશ અને કરીઓથના કિલ્લા બાળી નાખીશ. યુદ્ધમાં સૈનિકોના હોકારા વચ્ચે અને રણશિંગડાંના નાદ મધ્યે મોઆબના લોકો માર્યા જશે. હું મોઆબના શાસકોનો અને તેના બધા આગેવાનોનો સંહાર કરીશ.” પ્રભુ કહે છે: “યહૂદિયાના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે મારા નિયમશાસ્ત્રનો અનાદર કર્યો છે અને મારા વિધિઓ પાળ્યા નથી. તેમના પૂર્વજોની જેમ તેઓ પણ જૂઠા દેવોની પાછળ ભટકી ગયા છે. તેથી હું યહૂદિયા પર અગ્નિ વરસાવીશ અને યરુશાલેમના કિલ્લા ભસ્મ કરી નાખીશ.” પ્રભુ કહે છે: “ઇઝરાયલના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે રૂપાને માટે પ્રામાણિક માણસોને અને એક જોડ ચંપલ માટે ગરીબોને ગુલામ તરીકે વેચી દીધા છે. તેઓ નિર્બળ અને નિરાધારોનાં માથાં ધરતીની ધૂળમાં રગદોળે છે અને દીનોને તેમના માર્ગમાંથી હડસેલી મૂકે છે. પિતા અને પુત્ર મંદિરની એક જ દેવદાસી સાથે જાતીય સંબંધ કરીને મારા પવિત્ર નામને કલંક લગાડે છે. તેઓમાંનો પ્રત્યેક દેવા સામે બાનારૂપે લીધેલા વસ્ત્ર પર વેદીની પાસે જ સૂઈ જાય છે અને દંડનીય વ્યાજમાંથી ખરીદેલો દ્રાક્ષાસવ પોતાના દેવના મંદિરમાં પીએ છે. “તેમ છતાં, મેં ગંધતરુ જેવા ઊંચા અને ઓકવૃક્ષ જેવા મજબૂત અમોરીઓનો તેમની આગળથી નાશ કર્યો. મેં ટોચ પરથી તેમનાં ફળનો અને તળિયેથી તેમના મૂળનો સદંતર નાશ કર્યો. હે મારી પ્રજા, મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા. ચાલીસ વર્ષ તમને અરણ્યમાં દોર્યા અને અમોરીઓનો દેશ તમને વતન તરીકે આપ્યો. તમારા પુત્રોમાંથી કેટલાકને મેં સંદેશવાહકો અને કેટલાકને નાઝારી તરીકે પસંદ કર્યા. હે ઇઝરાયલી લોકો, શું એ સાચું નથી? હું પ્રભુ એ બોલ્યો છું. પરંતુ તમે નાઝારીઓને દ્રાક્ષાસવ પાયો અને સંદેશવાહકોને મારો સંદેશ જાહેર કરવાની મના ફરમાવી. તેથી અનાજથી ભરેલું ગાડું કચડી નાખે તેમ હું તેમને કચડી નાખીશ. દોડવીરો છટકી શકશે નહિ અને બળવાનો બળનો ઉપયોગ કરી શકશે નહિ કે યોદ્ધાઓ પોતાની જિંદગી બચાવી શકશે નહિ. ધનુર્ધારીઓ પણ ટકી શકશે નહિ; ગમે તેટલી ઝડપથી દોડે તો ય કોઈ છટકી શકશે નહિ. ઘોડેસ્વારો બચી જશે નહિ. તે દિવસે સૌથી શૂરવીર યોદ્ધો પણ હથિયાર હેઠાં મૂકી નાસી છૂટશે.” હે ઇઝરાયલના લોકો, તમારી આખી પ્રજાને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર પ્રભુ તરફથી તમારી વિરુદ્ધનો સંદેશો સાંભળો. પ્રભુ કહે છે, “પૃથ્વીની બધી પ્રજાઓમાંથી મેં માત્ર તમને જ પસંદ કરીને અપનાવ્યા છે. એ માટે હું તમને તમારાં સર્વ પાપની સજા કરીશ.” અગાઉથી નક્કી કર્યા વિના શું બે જણ સાથે પ્રવાસ કરી શકે? શિકાર મળ્યો ન હોય તે સિવાય સિંહ વનમાં ગર્જના કરે? કંઈક શિકાર પકડાયો ન હોય તે વગર સિંહનું બચ્ચું બોડમાં ધૂરકે? છટકિયું ગોઠવ્યા સિવાય પક્ષી તેમાં સપડાય ખરું? કંઈપણ શિકાર પકડાયા વિના છટકિયાની કળ ઊછળે ખરી? શહેરમાં રણભેરી વાગે અને લોકો ભયભીત ન થાય એવું બને ખરું? પ્રભુના મોકલ્યા વિના કોઈ નગર પર આપત્તિ આવી પડે ખરી? સાચે જ, પોતાના સેવકો સંદેશવાહકો સમક્ષ પોતાની રહસ્યમય યોજના પ્રગટ કર્યા વગર પ્રભુ પરમેશ્વર કંઈ જ કરતા નથી. સિંહ ગર્જના કરે ત્યારે લોકોને ભય ન લાગે? પ્રભુ પરમેશ્વર કંઈક કહે ત્યારે તેમનો સંદેશ પ્રગટ કરવાનું કોણ ટાળી શકે? આશ્દોદ તથા ઇજિપ્તના મહેલમાં વસનારાઓને જાહેર કરો: તમે સમરૂનના પર્વતો પાસે એકઠા થાઓ અને શહેરમાં પ્રવર્તતી ભારે અરાજક્તા અને થતા ગુના જુઓ. પ્રભુ કહે છે: “તેમણે ગુનાખોરી અને હિંસાથી લૂંટેલી વસ્તુઓથી પોતાના મહેલો ભરી દીધા છે. તેઓ પ્રામાણિકપણે વર્તવાનું તો જાણતા જ નથી.” તેથી પ્રભુ પરમેશ્વર કહે છે: “એ માટે દુશ્મન તેમના દેશને ઘેરી લેશે, તેમના કોટનો નાશ કરશે અને તેમના મહેલો લૂંટી લેશે.” વળી પ્રભુ કહે છે: “સિંહનાં મોંમાંથી ભરવાડ ભક્ષ થયેલા ઘેટાના બે પગ અને કાનનો ટુકડો પડાવી લે તેમ અત્યારે સમરૂનમાં વૈભવી પલંગોમાં એશઆરામ કરતા ઇઝરાયલી લોકોમાંથી થોડાનો જ બચાવ થશે.” તેથી સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર કહે છે: “તો હવે તમે એ સાંભળીને યાકોબના વંશજોને ચેતવો. કારણ, જે દિવસે હું ઇઝરાયલના લોકોને તેમનાં પાપની સજા કરીશ તે દિવસે જ હું બેથેલની વેદીઓ તોડી પાડીશ. પ્રત્યેક વેદીનાં શિંગો તોડી નાખવામાં આવશે અને વેદીને જમીનદોસ્ત કરી દેવાશે. હું શિયાળાના મહેલો અને ઉનાળાના મહેલોનો નાશ કરીશ. હાથીદાંતજડિત મહેલો ખંડિયેર થઈ જશે અને એકેએક મોટા ઘરનો નાશ થશે.” હે સમરૂનની સ્ત્રીઓ, તમે આ સંદેશ સાંભળો: તમે તો સારો ખોરાક ખાઈને તગડી બનેલી બાશાનની ગાયો જેવી છો. તમે નિર્બળોને કચડો છો. ગરીબો પર જુલમ કરો છો અને તમારા પતિઓને “લાવો, અમને મદિરા પાઓ,” એમ સતત કહ્યા કરો છો. પ્રભુ પરમેશ્વરે પોતાની પવિત્રતાના સમ ખાધા છે કે એવા દિવસો આવશે જ્યારે તેઓ તમને કડી ઘાલીને ઘસડી જશે અને તમારામાંની પ્રત્યેક ગલે ભરાયેલી માછલીની જેમ ખેંચી કઢાશે. નગરકોટના સૌથી નજીકના બાકોરા સુધી તેઓ તમને ઘસડી જશે અને ત્યાંથી તમને બહાર ફેંકી દેશે. સર્વશક્તિમાન પ્રભુ કહે છે, “બેથેલ જાઓ અને પાપ કરો! ગિલ્ગાલ થઈને ગુના વધારો! દરરોજ સવારે તમારાં બલિદાનો અને દર ત્રણ દિવસે તમારાં દશાંશ ચઢાવો. આભાર માનવા માટે ખમીરવાળી રોટલીનું અર્પણ કરો અને તમારાં સ્વૈચ્છિક અર્પણોની મોટી મોટી જાહેરાત કરો!” પ્રભુ પરમેશ્વર કહે છે, “હે ઇઝરાયલના લોકો, તમને એવી બડાશ હાંકવાનું ગમે છે.” મેં પણ તમારાં સર્વ નગરોમાં તમારાં દાંત બિલકુલ સાફ રહે એવી અન્‍નની અછત ઊભી કરી અને તમારી બધી વસાહતોમાં ખોરાકનો દુકાળ પાડયો. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ. કાપણીના હજી તો ત્રણ માસ બાકી હતા ત્યારે ખરી જરૂરના સમયે મેં વરસાદ અટકાવ્યો. મેં એક શહેર પર વરસાદ વરસાવ્યો, તો બીજા શહેર પર નહિ. એક ખેતર પર વરસાદ વરસાવ્યો, પણ બીજા ખેતર પર નહિ. જે ખેતરમાં વરસાદ ન પડયો તે સુકાઈ ગયું. તેથી બે-ત્રણ નગરના તરસ્યા લોકો નજીકના શહેરમાં પાણી શોધવા ગયા, તો ત્યાં પણ પીવા પૂરતું ય પાણી નહોતું. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ. તમારા પાકને સૂકવી નાખવા મેં સખત ગરમ લૂ અને ફૂગ મોકલ્યાં. તમારા સર્વ બાગબગીચા, વાડીઓ, અંજીરીઓ અને ઓલિવવૃક્ષ તીડો ખાઈ ગયાં. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ. મેં ઇજિપ્ત પર મોકલી હતી તેવી મરકી તમારા પર મોકલી. મેં યુદ્ધમાં તમારા જુવાનોની ક્તલ કરી અને તમારા ઘોડાઓનું મેં હરણ કરાવ્યું. તમારી છાવણીના મૃતદેહોની દુર્ગંધથી મેં તમારાં નસકોરાં ભરી દીધાં. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ. સદોમ અને ગમોરાની જેમ મેં તમારામાંથી કેટલાકનો અગ્નિથી સંહાર કર્યો અને તમારામાંના જે થોડાક બચી ગયા તે આગમાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા હતા. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.” પ્રભુ એવું બોલ્યા છે. “તેથી હે ઇઝરાયલના લોકો, હું તમને સજા કરવાનો છું, અને હું એમ જ કરવાનો છું તે માટે મારા ન્યાયચુકાદા માટે મારી સમક્ષ ખડા થવા તૈયાર થાઓ.” કારણ, ઈશ્વર તો પર્વતોના રચયિતા અને પવનના ઉત્પન્‍નર્ક્તા છે. તે માણસને તેના વિચારો કહી દેખાડે છે. તે દિવસને રાતમાં ફેરવી નાખે છે અને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર વિહરનાર તે જ છે. તેમનું નામ સર્વશક્તિમાન યાહવે છે. હે ઇઝરાયલના લોકો, તમારે માટે હું આ વિલાપગીત ગાઉં છું જે સાંભળો: કુમારિકા જેવી ઇઝરાયલ પ્રજાનું પતન થયું છે. તે ફરી ઊભી થવાની નથી. તેને જમીન પર ફેંકી દેવામાં આવી છે અને તેને ઊભી કરનાર કોઈ નથી. પ્રભુ પરમેશ્વર કહે છે, “ઇઝરાયલનું કોઈ એક શહેર લડાઈમાં હજાર સૈનિકોને મોકલે, તો તેમાંથી માત્ર સો સૈનિકો બચીને પાછા આવશે અને બીજું કોઈ શહેર સો સૈનિકો મોકલે, તો તેમાંથી માત્ર દસ જ પાછા આવશે.” પ્રભુ ઇઝરાયલના લોકોને કહે છે, “મને શોધો, એટલે તમે જીવતા રહેશો. ભક્તિ માટે બેરશેબા ન જશો. વળી, મને બેથેલમાં શોધવાનો યત્ન ન કરશો; કારણ, બેથેલ નાશ પામવાનું છે. ગિલ્ગાલ પણ ન જશો; કારણ, તેના લોકો ગુલામગીરીમાં જવાના છે. પ્રભુને શોધો, એટલે તમે જીવતા રહેશો; નહિ શોધો તો તે યોસેફના કુટુંબ પર અગ્નિની જેમ પ્રગટશે. બેથેલના લોકોને તે ભસ્મ કરી નાખશે અને કોઈ તે અગ્નિને ઓલવી શકશે નહિ. હે ન્યાયને કીરમાણીના છોડની કડવાશમાં ફેરવી નાખનારા અને ન્યાયને જમીન પર કચડનારા, તમારી કેવી દુર્દશા થશે!” જે કૃત્તિકા અને મૃગશીર્ષનો રચનાર છે, જે ઘોર અંધકારને પ્રભાતમાં અને દિવસને રાતમાં પલટી નાખે છે, અને જે સમુદ્રનાં પાણીને હાંક મારી બોલાવે છે અને પૃથ્વી પર વરસાવે છે તેમનું નામ યાહવે છે. બળવાનો પર તેમનો વિનાશ ભભૂકી ઊઠે છે અને કોટ-કિલ્લાઓનો નાશ કરે છે. અદાલતમાં અન્યાયને પડકારનાર અને સાચું બોલનારનો તમે તિરસ્કાર કરો છો. તમે ગરીબો પર અત્યાચાર કરો છો અને બળજબરીથી તેમનું અનાજ પચાવી પાડો છો. તમે ઘડેલા પથ્થરોનાં ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષવાડીઓ તો રોપી છે, પણ તેનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ. તમારાં અઘોર પાપ અને અસંખ્ય ગુનાઓની મને ખબર છે: તમે ન્યાયીને સતાવો છો, લાંચ લો છો અને નગરપંચમાં ગરીબને ન્યાયથી વંચિત રાખો છો. એટલે તો શાણો માણસ પણ મૌન સેવે છે; કારણ, ભારે ભૂંડો સમય આવી પહોંચ્યો છે. ભલું શોધો, ભૂંડું નહિ, એટલે તમે જીવતા રહેશો અને, તમે કહો છો તેમ, સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર તમારી સાથે રહેશે. ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો અને ન્યાયપંચમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો. તો કદાચ સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર યોસેફના બચી ગયેલા વંશજો પર કૃપા દર્શાવે. એ માટે સર્વશક્તિમાન ઈશ્વર પ્રભુ કહે છે. “નગરના એકેએક ચોકમાં વિલાપ અને શેરીઓમાં ‘હાય! હાય’ના પોકાર સંભળાશે. ખેડૂતો શોક કરશે અને શોક કરવાને વિલાપગીતો ગાવામાં પ્રવીણ લોકોને પણ બોલાવાશે. બધી દ્રાક્ષવાડીઓમાં વિલાપ થઈ રહેશે. કારણ, હું તમને સજા કરવાને તમારી મધ્યે થઈને જઈશ.” આ તો પ્રભુની વાણી છે. તમે જેઓ પ્રભુના દિવસની વાટ જોઈ રહ્યા છો તેમની કેવી દુર્દશા થશે! શા માટે તમે પ્રભુના દિવસને ઝંખો છો? એ તો અંધકારનો દિવસ હશે, પ્રકાશનો નહિ. કોઈ માણસ સિંહથી નાસી છૂટે પણ તેને રીંછનો ભેટો થઈ જાય, અથવા ઘરમાં નાસી આવે અને દીવાલે હાથ ટેકવે તો સાપ કરડે એવો દિવસ એ હશે. પ્રભુનો દિવસ અંધકારમય હશે, પ્રકાશમય નહિ. એ તો ગાઢ અંધારાના દિવસ હશે અને તેમાં જરાય અજવાળું નહિ હોય. પ્રભુ કહે છે, “હું તમારાં ધાર્મિક પર્વોને ધિક્કારું છું અને તમારાં ધાર્મિક સંમેલનો હું સાંખી શક્તો નથી. જો કે તમે તમારા દહનબલિ તથા ધાન્યાર્પણો ચડાવશો તોપણ હું તેમને સ્વીકારીશ નહિ. વળી, તમારાં પુષ્ટ પશુઓનાં સંગતબલિ પણ હું ગણકારીશ નહિ. મારી આગળથી તમારાં ગીતોનો ઘોંઘાટ બંધ કરો. મારે તમારી સારંગીના સૂર સાંભળવા નથી. એને બદલે, ન્યાયને ઝરણાની જેમ અને નેકીને કદી ન સૂક્તી નદીની જેમ વહેવા દો. “હે ઇઝરાયલના લોકો, અરણ્યમાં ચાલીસ વર્ષો દરમિયાન તમે મને બલિદાનો તથા અર્પણો કંઈ ચડાવ્યાં હતાં? પણ હવે તમે તમારા રાજા સિક્કૂથની તથા તમારા તારાઓના દેવ કિયૂનની મૂર્તિઓ બનાવી તમારે ખભે ઊંચકીને ફરશો. હું તમને દમાસ્ક્સની પેલી પાર ગુલામગીરીમાં મોકલી દઈશ.” સેનાધિપતિ ઈશ્વર જેમનું નામ છે તે યાહવે એમ કહે છે. ઓ સિયોનમાં એશઆરામ ભોગવનારા અને સમરૂનના પર્વત પર નિર્ભયપણે રહેનારાઓ, તમે તો મહાન ઇઝરાયલી પ્રજાના અગ્રગણ્ય આગેવાનો છો અને લોકો તમારી પાસે મદદ માટે આવે છે, પણ તમારી કેવી દુર્દશા થશે! જઈને કાલ્ને શહેરને જુઓ. ત્યાંથી મહાનગર હમાથની મુલાકાત લો અને આગળ વધીને પલિસ્તીઓના શહેર ગાથમાં જાઓ. શું તેઓ યહૂદિયા અને ઇઝરાયલનાં રાજ્યો કરતાં કંઈ સારાં છે? શું તેમનો વિસ્તાર તમારા વિસ્તાર કરતાં વધારે છે? ભારે આપત્તિનો દિવસ આવી રહ્યો છે. તે સ્વીકારવા તમે તૈયાર નથી, પરંતુ તમારાં કાર્યો જ તે દિવસને વધુ નજીક લાવી રહ્યાં છે. હાથીદાંતના વિલાસી પલંગો પર આરામથી આળોટનારાઓ અને કુમળા વાછરડા અને ઘેટાંના માંસની મિજબાની ઉડાવનારાઓ, તમારે માટે તે દિવસ કેટલો ભયાનક બની રહેશે! દાવિદની જેમ નવાં નવાં ગીતો બનાવી તેમને સારંગીના સૂર સાથે ગાવાનું તમને ગમે છે. તમે કટોરા ભરીભરીને દ્રાક્ષાસવ ગટગટાઓ છો અને તમારા શરીરે સારાં સારાં અત્તરો લગાડો છો; પણ યોસેફના વિનાશની એટલે ઇઝરાયલના રાજ્યના ભાવિ પતનની તમને કંઈ ચિંતા નથી. તેથી દેશનિકાલ થવામાં તમે સૌ પ્રથમ હશો. તમારી મહેફિલો અને મિજબાનીઓનો અંત આવશે. સર્વસમર્થ ઈશ્વર પ્રભુએ આવી ગંભીર ચેતવણી આપી છે: હું ઇઝરાયલના લોકોના અહંકારને ધિક્કારું છું અને તેમના મહેલોનો તિરસ્કાર કરું છું. હું તેમની રાજધાની અને તેમાંનું સર્વસ્વ શત્રુના હાથમાં સોંપી દઈશ. જો એક કુટુંબમાં દસ માણસો બાકી રહ્યા હશે તો તેઓ પણ માર્યા જશે. મૃત્યુ પામેલા માણસના અંતિમવિધિ માટે જવાબદાર સગો મૃતદેહને અગ્નિદાહ દેવાને ઘરમાંથી બહાર લઈ જવા આવશે, ત્યારે ઘરના સૌથી અંદરના ભાગમાં કોઈ બાકી રહી ગયેલા માણસને તે પૂછશે, “હજી ત્યાં બીજા મૃતદેહ છે?” પેલો માણસ જવાબ આપશે, “ના.” ત્યારે પેલો સગો કહેશે, “ચૂપ રહેજે, જો જે પ્રભુનું નામ ઉચ્ચારતો નહિ!” પ્રભુ આજ્ઞા કરે કે મોટાં મકાનોના ચૂરેચૂરા બોલી જશે અને નાનાં ઘરોનો ભાંગીને ભૂકો થઈ જશે. શું ઘોડા ખડક પર દોડી શકે? શું બળદોથી દરિયાને ખેડી શકાય? છતાં તમે ન્યાયને કીરમાણીના છોડની કડવાશમાં અને સત્યને જૂઠમાં ફેરવી નાખ્યાં છે. તમે લો-દેબાર શહેરને સર કરી લીધાની ડંફાસ મારો છો. વળી, બડાઈ હાંકો છો કે, “અમે અમારા પરાક્રમથી કરનાઈમ પર જીત મેળવી છે.” સર્વશક્તિમાન ઈશ્વર પ્રભુ પોતે જ કહે છે: “હે ઇઝરાયલના લોકો, તમારા દેશનો કબજો લેવાને હું એક પરદેશી સૈન્યને મોકલવાનો છું. ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણે અરાબાના વહેળા સુધી તે તમારા પર જુલમ ગુજારશે.” પ્રભુ પરમેશ્વર તરફથી મને એક દર્શન થયું. તેમાં મેં જોયું તો રાજાને આપવાના હિસ્સાનું ઘાસ કપાઈ ગયા પછી ઘાસ ફરીથી ફૂટી રહ્યું હતું. ત્યારે મેં ઈશ્વરને તીડોનાં ટોળાં સર્જતા જોયા. દર્શનમાં મેં જોયું તો તીડો ધરતી પરનું બધું ઘાસ ખાઈ ગયાં. ત્યારે મેં પ્રભુને વિનવણી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા લોકોને ક્ષમા કરો. તેઓ તો જૂજ અને નબળા છે; તેઓ કેવી રીતે નભી શકશે?” તેથી પ્રભુએ અનુકંપા દર્શાવતાં કહ્યું, “તેં જે જોયું તેવું નહિ થાય.” મને પ્રભુ પરમેશ્વર તરફથી બીજું દર્શન થયું. તેમાં મેં જોયું તો પ્રભુ પોતાના લોકોને આગથી સજા કરવાની તૈયારીમાં હતા. આગે ઊંડાણના મહાસાગરને બાળીને ભસ્મ કરી નાખ્યો અને તે ભૂમિને પણ ભરખી જવાની તૈયારીમાં હતી. ત્યારે મેં પ્રભુને આજીજી કરી, “હે પ્રભુ પરમેશ્વર, હવે બસ કરો. કારણ, તમારા લોક જૂજ અને નબળા છે; તેઓ શી રીતે નભી શકે?” તેથી પ્રભુએ અનુકંપા દર્શાવતાં કહ્યું, “એ પણ નહિ થાય.” મને ફરીથી પ્રભુ તરફથી દર્શન થયું. તેમાં મેં જોયું તો પ્રભુ હાથમાં ઓળંબો લઈને ઓળંબા પ્રમાણે બંધાયેલી દીવાલ પાસે ઊભા હતા. પ્રભુએ મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “ઓળંબો.” ત્યારે તેમણે કહ્યું, “મારા લોક ઓળંબાની દોરીની બહાર ખસી ગયેલી દીવાલ જેવા છે, અને એ દર્શાવવા હું ઓળંબાનો ઉપયોગ કરી રહ્યો છું. તેમને સજા કરવા સંબંધીનો મારો વિચાર હવે હું બદલીશ નહિ. ઇસ્હાકના વંશજોનાં ભક્તિનાં ઉચ્ચસ્થાનોનો નાશ થશે અને ઇઝરાયલનાં પવિત્રધામો ખંડિયેર બની જશે. યરોબઆમના રાજવંશનો હું તલવારની ધારે અંત લાવીશ.” તે પછી બેથેલના યજ્ઞકાર અમાસ્યાએ ઇઝરાયલના રાજા યરોબઆમ પર સંદેશો મોકલીને કહેવડાવ્યું. “આમોસ લોકોમાં તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે. તેના સંદેશા દેશના લોકો સાંભળી શકે તેમ નથી. તે આમ કહે છે: ‘યરોબઆમ લડાઈમાં તલવારથી માર્યો જશે, અને ઇઝરાયલી લોકોનો તેમના દેશમાંથી દેશનિકાલ થશે.” અમાસ્યાએ આમોસને કહ્યું, “હે દષ્ટા, બસ હવે બહુ થયું! યહૂદિયા પાછો જા. ત્યાં તારી આજીવિકા મેળવી લેજે અને ત્યાં જ બોધ આપજે. અહીં બેથેલમાં હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, કારણ, આ તો રાજાનું પૂજાસ્થાન - રાજમંદિર છે.” ત્યારે આમોસે જવાબ આપ્યો, “હું કંઈ સંદેશવાહક નહોતો અથવા કોઈ સંદેશવાહકના શિષ્યમંડળનો સભ્ય નહોતો. હું તો ભરવાડ હતો અને ગુલ્લર વૃક્ષોનો ઉછેરનાર હતો. પણ પ્રભુએ મને મારા ઘેટાં સંભાળવાના કામમાંથી બોલાવી લીધો અને મને આજ્ઞા આપી. “જા, મારા ઇઝરાયલી લોકોને સંદેશો પ્રગટ કર.” “તું કહે છે, ‘ઇઝરાયલના લોક વિરુદ્ધ સંદેશ આપીશ નહિ અને ઇસ્હાકના વંશજો વિરુદ્ધ એક શબ્દ પણ બોલીશ નહિ.’ તો હવે તારે માટે પ્રભુ તરફથી જે સંદેશો છે તે સાંભળ. ‘તારી પત્ની શહેરમાં વેશ્યા બનશે અને તારાં પુત્રપુત્રીઓ લડાઈમાં માર્યાં જશે. તારી જમીનના ભાગ પાડી દઈ બીજાઓને વહેંચી દેવામાં આવશે, અને તું અશુદ્ધ એવા વિધર્મી દેશમાં મૃત્યુ પામશે, અને ઇઝરાયલના લોકોને નિશ્ર્વે પોતાના દેશમાંથી બીજે દેશ ગુલામ તરીકે લઈ જવામાં આવશે.” પ્રભુ પરમેશ્વર તરફથી મને બીજું એક દર્શન થયું. તેમાં મેં પાકેલાં ફળો ભરેલી ટોપલી જોઈ. પ્રભુએ મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “પાકેલાં ફળોની ટોપલી.” પ્રભુએ મને કહ્યું, “મારા ઇઝરાયલી લોકોનો સમય પાકી ચૂકયો છે. હવે તેમને સજા કરવા અંગેનો મારો વિચાર હું બદલીશ નહિ. તે દિવસે મહેલનાં ગીતોને સ્થાને રોકકળ થઈ રહેશે. સર્વત્ર મૃતદેહોના ઢગ થશે, તેઓ મૃતદેહોને ચુપકીદીથી બહાર ફેંકી દેશે.” હે કંગાળોને કચડનારા અને ગરીબોનું નિકંદન કાઢી નાખવામાં તત્પર એવા લોકો, તમે ધ્યનથી સાંભળો. તમે કહો છો, “ક્યારે ચાંદ્રમાસનો પ્રથમ દિવસ વીતે કે અમે અનાજ વેચીએ અને ક્યારે સાબ્બાથદિન પૂરો થાય કે અમે ઘઉં વેચવા કાઢીએ? ત્યારે તો અમે ચાંદીનાણાં શેકેલમાં ભાવ ચડાવી દઈશું, માપ માટેનો એફાહ નાનો કરીશું અને ત્રાજવાનો કાંટો ખોટો ગોઠવીને ગ્રાહકોને છેતરીશું. હલકા પ્રકારના ઘઉં ઊંચી કિંમતે વેચીશું. એક જોડ ચંપલની કિંમત જેટલા દેવા માટે ગરીબને ગુલામ તરીકે ખરીદી લઈશું.” પ્રભુએ ઇઝરાયલના ગૌરવના સમ ખાધા છે, “હું તેમનાં કોઈ દુષ્કર્મો વીસરી જઈશ નહિ. તેથી પૃથ્વી કાંપશે અને દેશના સૌ કોઈ કફોડી સ્થિતિમાં મુકાઈ જશે. આખો દેશ ધ્રૂજી ઊઠશે અને નાઇલના પૂરની જેમ ઊંચો નીચો થઈ જશે. તે દિવસે હું ભરબપોરે સૂર્યને અસ્ત કરી દઈશ અને ધોળે દિવસે પૃથ્વીને અંધકારમય કરી દઈશ. હું સર્વશક્તિમાન પ્રભુ એ બોલ્યો છું. વળી, હું તમારા ઉત્સવોને અંતિમવિધિમાં ફેરવી નાખીશ અને તમારાં આનંદનાં ગીતોને વિલાપગીતોમાં પલટી નાખીશ. તમારે માંથુ મુંડાવી નાખવું પડે અને કંતાનનાં વસ્ત્રો ધારણ કરવાં પડે એવું હું કરી દઈશ, અને પોતાના એકનાએક પુત્રના વિયોગથી શોક કરતા હોય તેવા માબાપના જેવા તમે બની જશો. એ દિવસ આખો નર્યા દુ:ખનો હશે.” પ્રભુ પરમેશ્વર કહે છે, “એવો સમય આવે છે જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ. લોકો ભૂખ્યા હશે પણ ખોરાક માટે નહિ, તેઓ તરસ્યા હશે પણ પાણી માટે નહિ. તેઓ તો પ્રભુના સંદેશા માટે ભૂખ્યા-તરસ્યા હશે. લોકો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ર્વિમ પ્રભુનો સંદેશો મેળવવા દોડાદોડ કરશે. પણ તેમને તે મળશે નહિ. તે દિવસે સુંદર યુવતીઓ અને સશક્ત યુવાનો તરસથી મૂર્છા પામશે. સમરૂનની મૂર્તિઓના સમ ખાનારા અને ‘દાનના દેવના સમ’ અથવા ‘બેરશેબાના દેવના સમ’ એવું કહેનારા લોકો ઢળી પડશે અને પાછા ઊઠશે નહિ.” મેં પ્રભુને વેદીની પાસે ઊભેલા જોયા. તેમણે આજ્ઞા આપી: “મંદિરના સ્તંભોના મથાળા પર એવો મારો ચલાવો કે તેમના પાયા હચમચી જાય. લોકોના માથા પર તૂટી પડે એ રીતે તેમના ચૂરેચૂરા કરી દો. એમાંથી બચી જાય એવા લોકોનો હું યુદ્ધમાં સંહાર કરી નાખીશ. ત્યારે કોઈ છટકી જશે નહિ કે બચી જશે નહિ. જો તેઓ ખોદીને મૃત્યુલોક શેઓલ ઊતરી જાય તોપણ હું તેમને પકડી પાડીશ. જો તેઓ આકાશમાં ચઢી જાય તોપણ હું તેમને નીચે ખેંચી લાવીશ. જો તેઓ કોર્મેલના શિખર પર સંતાઈ જાય તોપણ હું તેમને શોધીને પકડી પાડીશ. જો તેઓ મારી નજર આગળથી સમુદ્રને તળિયે સંતાઈ જાય તો હું દરિયાઈ રાક્ષસી સર્પને આજ્ઞા કરીશ કે તે તેમને કરડી ખાય. જો તેમના શત્રુઓ તેમને ગુલામગીરીમાં લઈ જાય તો ત્યાં પણ હું તેમને મારી નાખવાનો હુકમ આપીશ. મેં તેમને સહાય કરવા નહિ, પણ તેમનો વિનાશ કરવા માટે દઢ સંકલ્પ કર્યો છે.” સર્વસમર્થ ઈશ્વર પ્રભુનો સ્પર્શ થતાં જ પૃથ્વી પીગળી જાય છે. અને તેના રહેવાસીઓ શોક કરે છે. ધરતી આખી નાઇલ નદીનાં પાણીની જેમ ઊંચે ચડે છે અને નીચે પડે છે. પ્રભુ આકાશમાં પોતાના ઓરડા બાંધે છે અને પૃથ્વી પર આકાશનો ઘૂમટ સ્થાપે છે. તે દરિયાનાં પાણીને આજ્ઞા કરીને બોલાવે છે અને તેમને પૃથ્વી પર મુશળધાર વરસાદરૂપે વરસાવે છે. તેમનું નામ યાહવે છે. પ્રભુ કહે છે, “હે ઇઝરાયલના લોકો, જેટલો તમારો તેટલો જ હું કુશના લોકોનો ખ્યાલ રાખું છું. જેમ મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે તેમ મેં પલિસ્તીઓને પણ ક્રીતમાંથી અને અરામીઓને કીરમાંથી મુક્ત કર્યા છે. ઇઝરાયલના આ દુષ્ટ રાજ્યને હું જોતો આવ્યો છું અને હું તેને પૃથ્વીના પટ પરથી નષ્ટ કરીશ. તોપણ હું યાકોબના બધા જ વંશજોનો નાશ કરીશ નહિ. હું આજ્ઞા આપીશ અને ચાળણીમાં ચળાતા અનાજની જેમ હું ઇઝરાયલી પ્રજાને સઘળી પ્રજાઓ મધ્યે ચાળીશ અને જે નકામા છે તેમને દૂર કરીશ. ‘અમારા પર તો કંઈ આપત્તિ અચાનક આવી પડવાની નથી.’ એવું કહેનારા મારા લોકમાંના દુષ્ટો લડાઈમાં માર્યા જશે.” પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે ખંડિયેર થયેલા ઘર જેવા દાવિદના રાજ્યની હું પુન:સ્થાપના કરીશ. હું તેની દીવાલોને સમારીને તેની મરામત કરીશ. હું તેને ફરીથી બાંધીશ અને તે પ્રાચીન સમયમાં જેવું હતું તેવું બનાવીશ. પછી ઇઝરાયલના લોકો અદોમના બચી ગયેલા લોકો પર તથા મારે નામે ઓળખાતી બધી પ્રજાઓ પર પ્રભુત્ત્વ જમાવશે.” પ્રભુ જે આ બધું થવા દેશે તે એવું કહે છે. પ્રભુ કહે છે, “એવા દિવસો આવી રહ્યા છે કે જ્યારે કાપણી કરનારનું કામ છેક ખેડનારનું કામ આવી જાય ત્યાં સુધી ચાલે એટલું બધું ધાન્ય પાકશે. દ્રાક્ષ પીલનારાનું કામ છેક બી વાવનારનું કામ આવી જાય ત્યાં સુધી ચાલે એટલી બધી દ્રાક્ષો પાકશે. પર્વતો મીઠા દ્રાક્ષાસવથી ટપકશે અને તેનાથી ટેકરીઓ છલકાઈ જશે. હું મારા ઇઝરાયલી લોકને તેમના વતનમાં પાછા લાવીશ. તેઓ પોતાનાં ખંડિયેર બની ગયેલાં શહેરો ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષાસવ પીશે; તેઓ વાડીઓ રોપશે અને તેનાં ફળ ખાશે. હું મારા લોકને તેમના વતનમાં રોપીશ અને તેમને ફરીથી ક્યારેય ઉખેડી નાખવામાં આવશે નહિ.” ઓબાદ્યાનું સંદર્શન જે પ્રભુ પરમેશ્વરે તેને અદોમ વિષે પ્રગટ કર્યું તે. પ્રભુ તરફથી અમને સંદેશ મળ્યો છે; તેમણે સર્વ વિદેશીઓ પાસે મોકલેલો રાજદૂત આમ કહે છે: “ઊઠો, આપણે અદોમ સામે યુદ્ધ કરવા જઈએ.” પ્રભુ અદોમને ઉદ્દેશીને કહે છે: “હું તને પ્રજાઓમાં છેક હલકો પાડી દઈશ; સર્વ લોકો તારો તિરસ્કાર કરશે. તારા અંતરના અભિમાને તને છેતર્યો છે. તારું પાટનગર મજબૂત ખડકો પરના કિલ્લામાં છે; ઊંચે ગિરિમાળામાં તારું નિવાસસ્થાન છે. તેથી તું તારા મનમાં કહે છે, ‘મને અહીંથી નીચે પાડનાર કોણ?’ “જો કે ગરુડના માળાની જેમ તું તારો નિવાસ અતિ ઊંચે બાંધે, અને એને લીધે જાણે તે ઊંચા આકાશમાં તારાઓ મધ્યે હોય એમ તને લાગે, તોપણ હું તને ત્યાંથી નીચે પાડીશ. “રાતે ચોર-લૂંટારા આવે તો તેમને જેટલું જોઈતું હોય તેટલું લઈ જાય છે. દ્રાક્ષ વીણતા લોકો પણ બધી ન વીણતાં થોડીઘણી તો રહેવા દે છે. પણ તને તો તારા શત્રુઓએ સંપૂર્ણ સફાચટ કરી નાખ્યો છે. “હે એસાવ, તારો દેશ કેવો ખુંદાઈ ગયો છે! તારા સંતાડેલા ખજાના શોધીને કેવા લૂંટી લેવામાં આવ્યા છે! તારાં મિત્ર રાજ્યોએ તને ઠગ્યો છે. તારા પોતાના જ દેશમાંથી તેમણે તને હાંકી કાઢયો છે. જેઓ તારી સાથે સુલેહશાંતિમાં હતા તેમણે જ તને જીતી લીધો છે. તારી સાથે ખાણીપીણી લેનારાઓએ જ તને જાળમાં ફસાવ્યો છે. તારે વિષે તેઓ કહે છે: ‘તેની બધી ચાલાકી ક્યાં ચાલી ગઈ?’ “હું અદોમને સજા કરીશ તે દિવસે તેના શાણા માણસોનો નાશ કરીશ; એસાવના પર્વત પરના એ શાણાઓનું શાણપણ નષ્ટ કરીશ. તેમાનના ભડવીરો ભયભીત થશે અને એસાવના પર્વત પરનો પ્રત્યેક લડવૈયો ક્તલમાં માર્યો જશે. “તેં યાકોબના વંશજો, તારા ભાઈઓને લૂંટી લઈ તેમને મારી નાખ્યા હોઈ તને સદાને માટે બટ્ટો લાગશે અને તારો સદંતર નાશ થશે. વિદેશી શત્રુઓએ તેમના દરવાજા ભાંગી નાખ્યા તે દિવસે તું બાજુ પર ઊભો રહ્યો. પરદેશીઓએ યરુશાલેમની મિલક્ત લૂંટી લઈ અંદરોઅંદર વહેંચી લીધી ત્યારે તું પણ તેમના જેવો જ અધમ બન્યો. યહૂદિયાના તારા ભાઈઓની દુર્દશા સામે તારે કિંગલાવું જોઈતું નહોતું. તેમની પાયમાલીના દિવસે તારે ખુશી થવું જોઈતું નહોતું. તેમની વિપત્તિના વખતે તારે તેમની હાંસી ઉડાવવી જોઈતી નહોતી. મારા લોકના નગરમાં કૂચ કરી જઈ તેમની દુર્દશા પર તારે જોઈ રહેવું જોઈતું નહોતું, તેમ જ તેમની વિપત્તિના વખતે તારે તેમની સંપત્તિ પચાવી પાડવી જોઈતી નહોતી. લોકો બચવાને નાસભાગ કરી રહ્યા હતા ત્યારે તેમની ક્તલ કરવા તારે ધોરી માર્ગની ચોકડીએ ઊભા રહેવું જોઈતું નહોતું; તેમજ બચી ગયેલા લોકને તેમની આપત્તિના વખતે તારે તેમના શત્રુઓને હવાલે કરવા જોઈતા નહોતા. “સઘળી પ્રજાઓનો ન્યાય કરવાનો મારો દિવસ પાસે છે. અદોમ, તેં જેવું કર્યું છે, તેવું જ તને કરવામાં આવશે. તેં જે આપ્યું છે તે જ તને પાછું અપાશે. મારા લોકે મારા પવિત્ર પર્વત પર સજાનો કડવો પ્યાલો પીધો છે; પણ પડોશની અન્ય સઘળી વિદેશી પ્રજાઓ એથીય વધુ કડવો પ્યાલો પીશે; તેઓ તે ગટગટાવશે અને તેમનું અસ્તિત્વ ભૂંસાઈ જશે. “પણ સિયોન પર્વત પર કેટલાક બચી જશે અને તે પવિત્ર સ્થાન થશે. યાકોબની પ્રજા તેના મુલક પર પોતાનો અધિકાર મેળવશે. “યાકોબના વંશજો અગ્નિ સમાન અને યોસફના વંશજો જવાળા સમાન બનશે. અગ્નિજ્વાળા ખૂંપરાને ભસ્મ કરે છે તેમ તેઓ એસાવના વંશજોનો નાશ કરશે. એસાવનો એકપણ વંશજ બચવા પામશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું. “દક્ષિણ યહૂદિયાના લોકો અદોમનો કબજો લેશે; પશ્ર્વિમના પહાડી પ્રદેશના લોકો પલિસ્તિયા કબજે કરશે. ઇઝરાયલીઓ એફ્રાઈમ અને સમરૂનના પ્રદેશ કબજે કરશે; બિન્યામીનના લોકો ગિલ્યાદને કબજે કરશે. ઉત્તર ઇઝરાયલના દેશનિકાલ કરાયેલાઓની સેના પાછી ફરીને છેક સારફાથ સુધીનો ઉત્તર ફિનિકિયાનો પ્રદેશ જીતી લેશે. સાર્દિસમાં વસતા યરુશાલેમના દેશનિકાલ કરાયેલાઓ દક્ષિણ યહૂદિયાનાં નગરો કબજે કરશે. યરુશાલેમના વિજયવંત લોકો અદોમ પર હુમલો કરીને તેના પર શાસન ચલાવશે અને પ્રભુનું પોતાનું રાજ્ય થશે.” અમિત્તાયના પુત્ર યોનાને પ્રભુનો આવો સંદેશ મળ્યો: “ઊઠ, મોટા શહેર નિનવે જા અને તેની વિરુદ્ધ પોકાર, કારણ, તેના લોકોની દુષ્ટતા હું જાણું છું.” પણ યોના તો પ્રભુથી દૂર નાસી જવા ઊલટી દિશામાં જવા તૈયાર થયો. તે જોપ્પા ગયો. ત્યાં તેને તાર્શીશ જતું વહાણ મળી ગયું. પ્રભુથી દૂર નાસી છૂટવા તે ભાડું આપીને તેમાં ખલાસીઓ સાથે બેસી ગયો. પણ પ્રભુએ દરિયામાં ભારે વાવાઝોડું મોકલ્યું. તોફાનને લીધે વહાણ ભાંગી પડવાના જોખમમાં આવી પડયું. બધા ખલાસીઓ ગભરાઈ ગયા અને પોતપોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હલકું કરવા માટે તેમણે તેમાંનો માલસામાન દરિયામાં ફેંકી દીધો. તે દરમ્યાન યોના તો વહાણના સૌથી નીચેના ભાગમાં ઘસઘસાટ ઊંઘતો હતો. વહાણના કપ્તાને ત્યાં જઈને તેને કહ્યું, “અરે, તું ઊંઘે છે? ઊઠ, તારા ઈશ્વરને પ્રાર્થના કર કે તે આપણા પર દયા કરે અને આપણો નાશ ન થાય.” ખલાસીઓએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ચિઠ્ઠીઓ નાખીને શોધી કાઢીએ કે કોને લીધે આપણા પર આ આફત આવી પડી છે.” તેવું કરતાં યોનાનું નામ નીકળ્યું. તેથી તેમણે તેને પૂછયું, “તો હવે અમને જણાવ કે આને માટે કોણ દોષિત છે? તું અહીં શું કરે છે? ક્યાંથી આવે છે? તું ક્યા દેશનો છે? તું કઈ પ્રજાનો છે?” યોનાએ જવાબ આપ્યો, “હું હિબ્રૂ છું. આકાશના ઈશ્વર, સમુદ્ર તથા કોરી ભૂમિના સર્જક પ્રભુનો ઉપાસક છું.” વિશેષમાં યોનાએ તેમને કહ્યું કે તે પ્રભુથી દૂર નાસી જતો હતો. ખલાસીઓ ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા, “તેં આ કેવું ભયાનક ક્મ કર્યું છે. દરિયામાં તોફાન વધતું જતું હોવાથી ખલાસીઓએ યોનાને પૂછયું, “અમારે માટે દરિયો શાંત થાય તે માટે અમે તને શું કરીએ?” તેણે કહ્યું, “મને દરિયામાં ફેંકી દો એટલે તે શાંત થઈ જશે. મને ખબર છે કે મારે લીધે જ તમારા પર આ ભયંકર આફત આવી પડી છે.” એમ કરવાને બદલે, ખલાસીઓએ વહાણને કિનારે લઈ જવા માટે ઘણાં હલેસાં માર્યાં, પણ વધારે ને વધારે તોફાન થવાથી તેઓ તેમ કરવામાં ફાવ્યા નહિ. તેથી તેમણે પ્રભુને પોકાર કર્યો: “હે પ્રભુ, અમે તમને વિનવીએ છીએ કે આ માણસના મોતને લીધે અમારો નાશ કરતા નહિ, નિર્દોષની હત્યા કરવા સંબંધી તમે અમને દોષિત ગણશો નહિ. કારણ, તમે જ તમારી ઇચ્છા પ્રમાણે આ બધું કર્યું છે.” પછી તેમણે યોનાને ઊંચકીને દરિયામાં ફેંકી દીધો એટલે તોફાન તરત જ શમી ગયું. ખલાસીઓને પ્રભુનો એટલો ડર લાગ્યો કે તેમણે તેમને બલિદાન આપ્યું અને તેમની સેવા કરવા માનતાઓ લીધી. પ્રભુએ એક મોટી માછલીને યોનાને ગળી જવા હુકમ કર્યો. તે માછલીના પેટમાં યોના ત્રણ દિવસ અને ત્રણ રાત રહ્યો. યોનાએ માછલીના પેટમાંથી પોતાના ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરી: “હે પ્રભુ, મારા સંકટમાં મેં તમને હાંક મારી એટલે તમે મને જવાબ આપ્યો. મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી મેં પોકાર કર્યો એટલે તમે મારું સાંભળ્યું. તમે મને પાતાળમાં, દરિયાના છેક તળિયે ફેંકી દીધો. ત્યાં મારી ચારેબાજુ પાણી હતાં અને તમારાં જોરદાર મોજાં મારા પર ફરી વળ્યાં હતાં. મેં કહ્યું: મને તમારી હાજરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, ત્યારે શું હું તમારું પવિત્ર મંદિર ફરી જોઈ શકીશ? પાણીના ઘેરાવથી હું ગૂંગળાઈ ગયો, અને હું દરિયામાં પૂરેપૂરો ડૂબી ગયો, અને મારા માથા પર દરિયાઈ છોડ વીંટળાઈ ગયા. હું છેક પર્વતોના તળિયે, હા, મને સદાને માટે કેદ કરી દેનાર દુનિયામાં આવી પડયો. પણ હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઊંડાણમાંથી ઉગારી લીધો. હું મરવાની અણી પર આવી પહોંચ્યો ત્યારે હે પ્રભુ, મેં તમારું સ્મરણ કર્યું, અને તમારા પવિત્ર મંદિરમાંથી તમે મારી પ્રાર્થના માન્ય કરી. વ્યર્થ મૂર્તિઓની પૂજા કરનારા તમને વફાદાર નથી, પણ હું તો તમારાં સ્તોત્ર ગાઈશ, તમને અર્પણ ચઢાવીશ, અને મારું વચન પૂરું કરીશ. ઉદ્ધાર તો પ્રભુ તરફથી જ મળે છે!” પ્રભુની આજ્ઞાથી માછલીએ યોનાને કિનારા પર ઓકી કાઢયો. યોના પાસે ફરીવાર પ્રભુનો સંદેશો આવ્યો: “ઊઠ, મહાનગરી નિનવેમાં જઈને મેં તને આપેલા સંદેશનો પોકાર કર.” પ્રભુની આજ્ઞા પ્રમાણે યોના ઊઠીને નિનવે ગયો. નિનવે તો એટલું મોટું શહેર હતું કે તેમાં થઈને પસાર થતાં ત્રણ દિવસ લાગે. શહેરમાં એક દિવસ જેટલું ચાલ્યા પછી યોનાએ પોકાર કર્યો: “ચાલીસ દિવસ પછી નિનવેનો નાશ થશે.” નિનવેના લોકોએ પ્રભુનો સંદેશ માન્યો. તેમણે જાહેરાત કરી કે નાનાંમોટાં સૌએ ઉપવાસ કરવો અને કંતાન ઓઢીને પશ્ર્વાતાપ દાખવવો. એ સમાચાર સાંભળીને નિનવેનો રાજા પણ પોતાની ગાદી પરથી ઊતરી પડયો, પોતાનો રાજવી પોષાક ઉતારી નાખ્યો અને કંતાનનાં વસ્ત્ર પહેરી રાખમાં બેઠો. તેણે નિનવેના લોકોમાં આવું જાહેરનામું બહાર પાડયું: “રાજા અને તેમના અમલદારોનો આ આદેશ છે: કોઈએ કંઈ ખાવાનું નથી. લોકો, ઢોરઢાંક કે ઘેટાંને ખાવાપીવાની મનાઈ છે. સઘળા લોકો અને પશુઓએ કંતાનનાં વસ્ત્ર ધારણ કરવાં. સૌએ ઈશ્વર આગળ ખરા દિલથી પ્રાર્થના કરવી, અને પોતાના દુષ્ટ માર્ગો તથા જુલમ તજી દેવાં. કદાચ, ઈશ્વર પોતાનો વિચાર બદલે, તેમનો કોપ અટકાવે અને આપણે નાશમાંથી ઊગરી જઈએ.” લોકોએ પોતાનાં દુષ્કર્મો છોડી દીધાં છે એ જોઈને ઈશ્વરને અનુકંપા ઊપજી અને વિનાશ કરવાનું માંડી વાળ્યું. તેથી યોના ખૂબ જ નારાજ થયો ને તેને ગુસ્સો ચઢયો. તેણે પ્રભુને પ્રાર્થના કરી: “હે પ્રભુ, હું મારા દેશમાં હતો ત્યારે જ મેં નહોતું કહ્યું કે તમે આવું જ કરશો. તેથી તો મેં તાર્શીશ નાસી જવા મારાથી બનતું બધું કર્યું હતું. મને ખબર હતી કે તમે કૃપાળુ અને પ્રેમાળ ઈશ્વર છો. તમે સદા ધીરજવાન અને ભલા છો અને શિક્ષા માંડી વાળવાને તત્પર છો. તેથી હે પ્રભુ, મારો જીવ લઈ લો; મારે જીવવા કરતાં મરવું સારું છે.” પ્રભુએ તેને કહ્યું, “તું આમ ગુસ્સે થાય છે તે વાજબી છે?” પછી યોના શહેર બહાર પૂર્વમાં જઈને બેઠો. ત્યાં પોતાને માટે માંડવો બાંધીને શહેરનું શું થાય છે તે જોવા તેની છાયામાં બેઠો. યોનાને થોડી શીતળ છાયા મળે અને એમ તેની બેચેની દૂર થાય માટે પ્રભુએ એરંડી ઉગાવી. યોના તેનાથી ખૂબ ખુશ થયો. પણ બીજે દિવસે વહેલી સવારે ઈશ્વરે એક કીડો ઉત્પન્‍ન કર્યો કે જેણે પેલી એરંડી કરડી ખાધી, એટલે એરંડી ચિમળાઈ ગઈ. દિવસ ચડતાં ઈશ્વરે પૂર્વનો ગરમ વાયુ ફૂંકાવા દીધો. યોનાના માથા પર સૂર્યનો સખત તાપ લાગતાં તે બેહોશ જેવો થઈ ગયો અને તેણે મોત માગ્યું. તે બોલ્યો, “મારે જીવવા કરતાં મરવું સારું છે.” પણ પ્રભુએ તેને પૂછયું, “એરંડી અંગેનો તારો ગુસ્સો વાજબી છે?” યોનાએ કહ્યું, “ગુસ્સે થવાથી મારું મોત પણ થાય તો ય મને તે વાજબી લાગે છે!” પ્રભુએ તેને કહ્યું, “આ એરંડી એક રાતમાં ઊગી અને બીજી રાતે નાશ પામી. તેં તેને રોપી નહોતી કે ન તો તેને માટે કંઈ મહેનત કરી, છતાં તને તેના પર દયા આવે છે. તો પછી આ મહાનગરી નિનવેમાં વસતા એક લાખ વીસ હજાર કરતાં પણ વધુ અબુધ લોકો અને અસંખ્ય પ્રાણીઓ પર મને દયા ન આવે?” યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ અને હિઝકિયાના અમલ દરમ્યાન પ્રભુએ આ સંદેશ મોરેશેથ નગરના મિખાને જણાવ્યો હતો. સમરૂન અને યરુશાલેમ વિષેના દર્શનમાં પ્રભુએ તેને આ બાબતો પ્રગટ કરી હતી. હે સર્વ પ્રજાઓ, સાંભળો, પૃથ્વીના સર્વ રહેવાસીઓ આ વાત પર કાન દો. પ્રભુ પરમેશ્વર તમારી વિરુદ્ધ જુબાની આપશે. સાંભળો, તે પોતાના પવિત્ર મંદિરમાંથી બોલે છે. પ્રભુ પોતાના પવિત્રસ્થાનમાંથી આવે છે. તે નીચે ઊતરીને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર વિચરે છે. ત્યારે, જેમ આગમાં મીણ પીગળી જાય તેમ પર્વતો તેમના પગ તળે પીગળી જશે અને કરાડો પરથી ધસી પડતા ધોધની જેમ ખીણોમાં રેડાઈ જશે. ઇઝરાયલના લોકોએ ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે અને બંડ પોકાર્યું છે તે માટે એ બધું થશે. ઇઝરાયલના પાપ માટે કોણ જવાબદાર છે? એ માટે રાજધાની સમરૂન જ જવાબદાર નથી? યહૂદિયામાં પૂજાનાં ઉચ્ચસ્થાનો પર મૂર્તિપૂજા માટે કોણ દોષિત છે? એ માટે યરુશાલેમ જ દોષિત નથી? તેથી પ્રભુ કહે છે, “હું સમરૂનને ખુલ્લાં મેદાનોમાં ખડક્યેલાં ખંડિયેરોના જેવું અને દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું બનાવી દઈશ. હું તેના પથ્થરોને ખીણમાં ગબડાવી દઈશ. તેના સર્વ પાયા ઉઘાડા કરી નાખીશ. તેની સર્વ મૂર્તિઓનો ભાંગીને ભૂક્કો કરી દેવાશે અને તેના મંદિરમાં આવેલી બધી ભેટો આગમાં બાળી નંખાશે. હું તેની બધી મૂર્તિઓનો વિનાશ કરીશ. એ બધી વેશ્યાના વેતનથી મેળવવામાં આવી હતી અને વેશ્યાના વેતન તરીકે જ તે ખતમ થશે. પછી મિખાએ કહ્યું, “એને લીધે હું પોક મૂકીને રડીશ. મારો શોક પ્રગટ કરવા હું ઉઘાડે પગે અને નિર્વસ્ત્ર ફરતો ફરીશ. હું શિયાળની જેમ રુદન કરીશ અને શાહમૃગની જેમ કકળીશ. સમરૂનને પડેલા ઘા અસાય છે. યહૂદિયા પર પણ એવું જ દુ:ખ પડશે; મારા લોકની વસાહત સુધી, અને છેક યરુશાલેમના દરવાજાઓ સુધી વિનાશ આવી પહોંચ્યો છે.” ગાથમાંના આપણા શત્રુઓને આપણા પરાજય વિષે જણાવશો નહિ. તેઓ તમને વિલાપ કરતા જુએ એવું થવા દેશો નહિ. બેથ-લાફ્રાહ (અર્થાત્ ધૂળનાં ઘર)ના લોકો, તમે ધૂળમાં આળોટીને તમારી હતાશા પ્રગટ કરો. ઓ શાફિરના રહેવાસીઓ, નગ્ન અને લજ્જિત થઈને દેશનિકાલ થાઓ. હે સાઅનાનના નિવાસીઓ, તમે પોતાના શહેર બહાર જઈ શકશો નહિ. બેથ એસેલના લોકોનો વિલાપ સાંભળીને તમને ખબર પડી જશે કે ત્યાં પણ સંતાવાનું કોઈ સ્થાન રહ્યું નથી. મારોથના લોકો વેદનામાં કષ્ટાય છે અને કળ વળે તેની આતુરતાથી આશા સેવી રહ્યા છે. કારણ, પ્રભુએ છેક યરુશાલેમના દરવાજા સુધી વિનાશ લાવી મૂક્યો છે. હે લાખીશના રહેવાસીઓ, રથે ઘોડા જોડો. તમે ઇઝરાયલનાં પાપનું અનુકરણ કર્યું અને એમ કરીને યરુશાલેમને પણ પાપમાં પાડયું. હે યહૂદિયાના લોકો, તમે હવે મોરેશેથ-ગાથ નગરની આખરી વિદાય લઈ લો. ઇઝરાયલના રાજાઓને હવે આખ્ઝીબના નગર તરફથી કોઈ મદદ મળવાની નથી. હે મારેશાના નિવાસીઓ, પ્રભુ તમને એક શત્રુના હાથમાં સોંપી દેશે; જે તમારું નગર સર કરશે. ઇઝરાયલનો રાજા અદુલ્લામની ગુફામાં સંતાઈ જશે. હે યહૂદિયાના લોકો, તમારાં પ્રિય બાળકોના શોકમાં વાળ કપાવી નાખો અને માથું મુંડાવીને બોડા ગીધ જેવા બની જાઓ. કારણ, તમારાં બાળકોને તમારી પાસેથી કેદ કરી લઈ જવામાં આવશે. પથારીમાં પડયા પડયા ભૂંડી યોજનાઓ ઘડનારની કેવી દુર્દશા થશે! સવાર પડે કે પોતાની ભૂંડી યોજનાઓ પાર પાડવાની તક તેઓ ઝડપી લે છે. તેમને ખેતર જોઈતું હોય તો તે પચાવી પાડે છે; તેમને ઘર જોઈતું હોય તો તે છીનવી લે છે. કોઈનાય કુટુંબની કે મિલક્તની સલામતી નથી. તે માટે પ્રભુ કહે છે, “હું તમારી પાયમાલી કરી દેવાની યોજના કરી રહ્યો છું અને તમે તેની ભીંસમાંથી છટકી શકશો નહિ; કારણ, તમે સંકટના સમયમાં સપડાયા હશો. પછી તમે આમ મગરૂરીથી ફરશો નહિ. એ સમયે લોકો તમારી પાયમાલીની વાતોને ઉદાહરણ તરીકે વાપરશે અને તમારા પર જે વીત્યું છે તેનાં વિલાપગીત ગાશે: “અમે બિલકુલ પાયમાલ થઈ ગયા! પ્રભુએ અમારી ભૂમિ લઈ લીધી છે અને તે તેમણે બંડખોરોને વહેંચી આપી છે.” એ માટે જ્યારે પ્રભુના લોકોને તેમનો પ્રદેશ પાછો સોંપવાનો સમય આવશે ત્યારે તેમાં તમારો કંઈ લાગભાગ હશે નહિ. લોકો મને ઉપદેશ આપે છે, “તું અમને ઉપદેશ આપીશ નહિ અને એ બધી વાતોનો બોધ કરીશ નહિ. ઈશ્વર અમને લજ્જિત કરશે નહિ. શું તું એમ ધારે છે કે ઇઝરાયલના લોકો શાપ તળે છે? શું ઈશ્વરે ધીરજ ગુમાવી છે? શું તે ખરેખર આવું કરશે? શું તે સદાચારી પ્રત્યે માયાળુપણે બોલતા નથી?” પ્રભુ જવાબ આપે છે: “તમે મારા લોક પર દુશ્મનની જેમ હુમલો કરો છો. ઘેર સલામતી છે એમ માની પુરુષો યુદ્ધમાંથી પાછા આવે છે, પણ ત્યાં તો તમે તેમની પીઠ પરથી ઝભ્ભો ઉતારી લેવા હાજર હો છો. મારા લોકની સ્ત્રીઓને તેમના રમણીય ઘરોમાંથી કાઢી મૂકો છો અને તેમનાં બાળકોને મારી આશિષથી હમેશાં વંચિત રાખો છો. ઊઠો, ચાલ્યા જાઓ, અહીં હવે કોઈ સલામત નથી. તમારાં પાપને લીધે આ સ્થળનો વિનાશ નિર્માણ થઈ ચૂક્યો છે. “આ લોકોને તો એવો સંદેશવાહક જોઈએ છે કે જે જૂઠ અને કપટથી ભરપૂર હોય અને કહેતો ફરે કે, ‘હું ભવિષ્ય ભાખું છું કે તમારે માટે દ્રાક્ષાસવ અને શરાબની રેલમછેલ થશે.’ “પરંતુ હે યાકોબના વંશજો, હું તમને જરૂર એકઠા કરીશ. હું ઇઝરાયલના બચી ગયેલા સૌને એકત્ર કરીશ. વાડામાં પાછાં ફરતાં ઘેટાંની જેમ હું તમને પાછા લાવીશ. ઘેટાંથી ભરાઈ ગયેલા વાડાની જેમ તમારો દેશ ફરી એકવાર લોકોથી ભરપૂર થશે.” ઈશ્વર તેમને માટે માર્ગ ખોલશે અને તેમને દેશનિકાલીમાંથી બહાર દોરી જશે. તેઓ નગરના દરવાજાઓ તોડીને મુક્ત થશે. તેમના રાજા પ્રભુ પોતે જ તેમને બહાર દોરી જશે. હે યાકોબના આગેવાનો, ઇઝરાયલના શાસકો, સાંભળો; અદલ ન્યાય આપવો એ શું તમારી ફરજ નથી? પણ તમે તો ભલાને ધિક્કારો છો અને ભૂંડાને ચાહો છો! તમે મારા લોકની ચામડી ઉતરડો છો અને તેમનાં હાડકાં પરથી માંસ ઉખાડી નાખો છો. તમે મારા લોકનો ભક્ષ કરો છો: તેમની ચામડી ઉતરડીને, હાડકાં ભાંગીને અને ટુકડા કરીને તમે તેમને માંસની જેમ બાફવા તૈયાર કરો છો. એવો સમય આવશે જ્યારે તમે પ્રભુને પોકાર કરશો, પણ તે તમને જવાબ આપશે નહિ. તે તમારી પ્રાર્થનાઓ સાંભળશે નહિ, કારણ, તમે દુષ્ટતા આચરી છે. મારા લોકો જૂઠા સંદેશવાહકોથી છેતરાઈ જાય છે. જેઓ તેમને ખવડાવે તેમને તેઓ “શાંતિ રહેશે” એવો સંદેશ આપે છે; જેઓ તેમને ખવડાવતા નથી તેમને “યુદ્ધ થશે” એવી ધમકી આપે છે. એવા સંદેશવાહકોને પ્રભુ કહે છે, “તમારો દિવસ પૂરો થવા આવ્યો છે. તમારો સૂર્ય આથમી રહ્યો છે. તમે મારા લોકને ગેરમાર્ગે દોર્યા છે એટલે તમને હવે સંદેશવાહક તરીકે કંઈ દર્શન થશે નહિ અને તમે કોઈ ભવિષ્યકથન કરી શકશો નહિ. સંદર્શકો લજ્જિત થશે અને જોશ જોનારાની ફજેતી થશે. તેમણે શરમથી પોતાનું મોં સંતાડવું પડશે. કારણ, ઈશ્વર તરફથી તેમને કંઈ જવાબ મળશે નહિ. પરંતુ ઇઝરાયલના લોકોને તેમનાં પાપ કહી દેખાડવા માટે પ્રભુનો આત્મા મને સામર્થ્ય, વિવેકબુદ્ધિ અને હિંમતથી ભરપૂર કરે છે. હે ઇઝરાયલના શાસકો અને તેમના આગેવાનો, મારું સાંભળો. તમે ન્યાયનો તિરસ્કાર કરો છો અને સત્યને જૂઠમાં ફેરવી નાખો છો. ઈશ્વરના શહેર યરુશાલેમને તમે રક્તપાત અને અન્યાયના પાયા પર બાંધો છો. શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.” એ માટે તમારે લીધે સિયોન ખેતરની માફક ખેડાશે, યરુશાલેમ ખંડિયેર બની જશે અને મંદિરનો પર્વત જંગલ જેવો બની જશે. પણ ભવિષ્યમાં એવા દિવસો આવે છે જ્યારે પ્રભુના મંદિરનો પર્વત બધા પર્વતો કરતાં ઊંચો કરાશે. ત્યાં ઘણી પ્રજાઓનાં ટોળેટોળાં ચાલ્યાં આવશે. અને તેઓ કહેશે, “ચાલો આપણે પ્રભુના પર્વત પર ચઢીએ અને ઇઝરાયલના ઈશ્વરના મંદિરમાં જઈએ. તે આપણને તેમના સાચા માર્ગોનું શિક્ષણ આપશે અને આપણે તેમના પસંદ કરેલા માર્ગમાં ચાલીશું. પ્રભુના નિયમનું શિક્ષણ સિયોનમાંથી મળે છે અને પ્રભુ પોતાના લોક સાથે યરુશાલેમમાં બોલે છે.” તે પ્રજા પ્રજા વચ્ચેના ઝઘડાનું નિરાકરણ કરશે અને દૂરની તથા નજીકની મહાસત્તાઓનો ઇન્સાફ કરશે. તેઓ પોતાની તલવારો ટીપીને તેનાં હળ બનાવશે અને તેમના ભાલાનાં દાતરડાં બનાવશે. ત્યારે પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ યુદ્ધે ચઢશે નહિ અને લડાઈની તૈયારી સુદ્ધાં કરશે નહિ. પ્રત્યેક જણ પોતાની દ્રાક્ષવાડીમાં અને અંજીરવૃક્ષો વચ્ચે શાંતિમાં જીવશે, અને તેમને કોઈ ડરાવશે નહિ. એ તો સર્વસમર્થ પ્રભુના મુખની વાણી છે. પ્રત્યેક પ્રજા પોતપોતાના દેવ પર આધાર રાખીને તેમને અનુસરે છે, પરંતુ અમે તો સદાસર્વદા ઈશ્વર ‘યાહવે’ પર આધાર રાખીને તેમને અનુસરીશું. પ્રભુ કહે છે, “એવો સમય આવે છે જ્યારે હું અપંગોને, એટલે જેમને મેં દેશનિકાલીમાંથી હાંકી કાઢી દુ:ખી કર્યા છે તેમને ભેગા કરીશ. તેઓ અપંગ થઈ ગયા છે અને ઘરથી બહુ દૂર છે, પણ હું તેમની સાથે નવેસરથી શરૂઆત કરીશ અને તેઓ એક મહાન પ્રજા બનશે. પછી સિયોન પર્વત પરથી હું તેમના પર સદાસર્વદા રાજ કરીશ.” હે યરુશાલેમ, તું તો ઘેટાંપાળકના બુરજ જેવું છે, અને તારામાં રહીને ઈશ્વર પોતાના લોકની સંભાળ રાખે છે. તું ફરી એકવાર અગાઉની જેમ તમારા રાજ્યની રાજધાની બની રહેશે. તું મોટેથી કેમ રડે છે? તું પ્રસૂતાની જેમ કેમ પીડાઈ રહી છે? તારે કોઈ રાજા નથી અને તારા સલાહકારો મરણ પામ્યા છે તેથી? હે યરુશાલેમના લોકો, પ્રસૂતાની જેમ મરડાઓ અને ઊંહકારા ભરો. કારણ, તમારે આ શહેર છોડીને ખુલ્લા પ્રદેશમાં રહેવું પડશે. તમારે બેબિલોનમાં દેશનિકાલ થવું પડશે; પણ ત્યાંથી તમે છોડાવી લેવાશો અને પ્રભુ તમારા શત્રુઓથી તમને બચાવી લેશે. ઘણી પ્રજાઓ તમારા પર હુમલો કરવા એકઠી થઈ છે. તેઓ કહે છે, “યરુશાલેમનું નિકંદન કાઢી નાખવું જોઈએ. અમે આ શહેરને ખંડિયેર થઈ ગયેલું જોવા માગીએ છીએ.” પરંતુ આ પ્રજાઓને પ્રભુના મનસૂબાની કે તેમની યોજનાની ખબર નથી કે ઝૂડવા માટે દાણા એકઠા કર્યા હોય તેમ પ્રભુએ તેમને સજા કરવા માટે એકઠા કર્યા છે. પ્રભુ કહે છે, “હે યરુશાલેમના લોકો, જાઓ અને તમારા શત્રુઓને સજા કરો! હું તમને લોખંડી શિંગડાં અને તાંબાની ખરીવાળા આખલા જેવા બળવાન બનાવીશ. તમે ઘણી પ્રજાઓને કચડી નાખશો અને તમે મને, એટલે, સમગ્ર પૃથ્વીના પ્રભુને એ પ્રજાઓએ હિંસાથી મેળવેલી સંપત્તિનું સમર્પણ કરશો.” હે યરુશાલેમના લોકો, તમારાં લશ્કરીદળો એકત્ર કરો. શત્રુઓએ આપણને ઘેરી લીધા છે. તેઓ ઇઝરાયલના રાજ્યર્ક્તાના મોં પર સોટી મારશે. પ્રભુ કહે છે, “હે બેથલેહેમ એફ્રાથા, તું યહૂદિયાનાં નગરોમાં નાનાંમાં નાનું છે, પણ હું તારામાંથી એક એવો રાજ્યર્ક્તા ઊભો કરીશ કે જેનો પ્રારંભ પ્રાચીનકાળથી, હા, સનાતનકાળથી છે. તેથી ગર્ભવતીને પુત્ર જન્મે ત્યાં સુધી પ્રભુ પોતાના લોકોને તજી દેશે. પછી તો એ પુત્રના જાત ભાઈઓમાંથી બચી ગયેલા લોકો દેશનિકાલમાંથી પાછા આવી બીજા ઇઝરાયલીઓ સાથે ભેગા થશે. તે આવશે ત્યારે પ્રભુના સામર્થ્યથી તથા પ્રભુ પરમેશ્વરના નામના પ્રતાપથી પોતાના લોકો પર રાજ કરશે. તેના લોકો સલામતીમાં રહેશે. કારણ, પૃથ્વીના બધા લોકો તેમની આણ સ્વીકારશે, અને તે શાંતિ સ્થાપશે. જ્યારે આશ્શૂરના લોકોનું સૈન્ય આપણા પર હુમલો કરે ત્યારે આપણે સૌથી શૂરવીર એવા આપણા અનેક આગેવાનો અને શાસકોને તેમની સામે ખડા કરી દઈશું. તેઓ ભારે ક્તલ ચલાવીને નિમ્રોદના દેશ આશ્શૂરને જીતી લેશે. જ્યારે આશ્શૂરનું સૈન્ય આપણી સરહદ પર ચડાઈ કરે ત્યારે તેઓ આપણને તેમના હાથમાંથી છોડાવશે. ઇઝરાયલના બચી ગયેલા લોકો ઘણી પ્રજાઓ માટે પ્રભુએ મોકલેલા તાજગીદાયક ઝાકળ જેવા અને ઊગતા છોડવા પર પડતાં ઝાપટાં જેવા થશે. તેઓ ઈશ્વર પર આધાર રાખશે, માણસ પર નહિ. પ્રજાઓમાં બાકી રહી ગયેલા ઇઝરાયલના કેટલાક લોકો વનમાં કે ગૌચરોમાં શિકાર શોધતા સિંહના જેવા થશે. સિંહ ઘેટાંના ટોળામાં ધૂસે છે, તેમના પર ત્રાટકે છે અને તેમને ફાડી ખાય છે, અને બચાવની કોઈ આશા હોતી નથી. એમ જ ઇઝરાયલ પોતાના શત્રુઓ પર જીત મેળવશે અને તેમનો બધાનો નાશ કરશે. પ્રભુ કહે છે, “તે સમયે હું તમારા ઘોડાઓનો સંહાર કરીશ અને તમારા રથોનો નાશ કરીશ. તમારા દેશનાં શહેરોનો હું નાશ કરીશ અને તમારા કિલ્લાઓને તોડી પાડીશ. તમારા હાથે બાંધેલાં જાદુઈ માદળિયાં હું તોડી નાખીશ અને જોશ જોનારને હું રહેવા દઈશ નહિ. જે મૂર્તિઓ અને પવિત્ર સ્તંભોની તમે પૂજા કરો છો તેમને હું તોડી પાડીશ. હવે પછી તમે હાથે ઘડેલી વસ્તુઓની પૂજા કરશો નહિ. તમારા દેશમાંના અશેરા દેવીના સ્તંભોને હું ઉખેડી નાખીશ. અને તમારાં શહેરોનો નાશ કરીશ. મને આધીન ન થનાર બધી પ્રજાઓ પર હું મારા ક્રોધમાં વૈર વાળીશ. ઇઝરાયલની વિરુદ્ધ પ્રભુની ફરિયાદ સાંભળો. હે પ્રભુ, ઊઠો અને તમારી ફરિયાદ રજૂ કરો. તમારે જે કહેવાનું છે તે પહાડો અને ટેકરીઓને સાંભળવા દો. હે પર્વતો, હે પૃથ્વીના અવિચળ પાયાઓ, પ્રભુની દલીલ સાંભળો. પ્રભુને પોતાના લોકની વિરુદ્ધ ફરિયાદ છે. તે ઇઝરાયલ પર આરોપ મૂકવાના છે. પ્રભુ કહે છે, “હે મારા લોક, મેં તમને શું કર્યું છે? શું હું તમારે માટે ભારરૂપ બન્યો છું? મને જવાબ આપો. હું તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો. મેં તમને ગુલામીમાંથી મુક્ત કર્યા. તમને દોરવા માટે મેં મોશે, આરોન અને મિર્યામને મોકલ્યાં. હે મારા લોક, મોઆબના રાજા બાલાકે તમારી વિરુદ્ધ મસલત કરી અને બયોરના પુત્ર બલઆમે તેનો કેવો ઉત્તર આપ્યો તે યાદ કરો. વળી, શિટ્ટિમથી ગિલ્ગાલની મુસાફરીમાં બનેલા બનાવો યાદ કરો; એ બધું યાદ કરો એટલે મેં પ્રભુએ તમારો બચાવ કરવા કરેલાં ન્યાયશાસનીય કૃત્યોનો તમને ખ્યાલ આવશે.” સર્વોચ્ચ ઈશ્વર પ્રભુની સન્મુખ તેમની ભક્તિ કરવા હું શું લઈને આવું? શું હું દહનબલિ માટે શ્રેષ્ઠ વાછરડા લાવું? હજારો ઘેટાં કે ઓલિવ તેલની હજારો નદીઓથી શું પ્રભુ પ્રસન્‍ન થશે? મારા પાપને લીધે મારા પ્રથમજનિતનું બલિદાન આપું? મારા દેહજણ્યા દીકરાને ચડાવું? હે માનવ, સારું શું છે તે તો પ્રભુએ તને જણાવેલું જ છે. પ્રભુ તો માત્ર આટલું જ માગે છે: ન્યાયપૂર્વક વર્તવું, પ્રેમ દાખવવો અને પ્રભુની સાથે નમ્રતાથી ચાલવું. પ્રભુનો ડર રાખવો એમાં ડહાપણ છે. તે શહેરને હાંક મારે છે: “હે નગરજનો, સજાની સોટી અને એનું નિર્માણ કરનારને લક્ષમાં લો અને ચેતો. દુષ્ટોનાં ઘર અનીતિથી મેળવેલા ધનથી ભરેલાં છે. તેઓ ધિક્કારપાત્ર એવાં ખોટાં માપ વાપરે છે. ખોટાં ત્રાજવાં અને વજનિયાં વાપરનાર લોકોને હું કેવી રીતે નિર્દોષ જાહેર કરું? શહેરના શ્રીમંતો ગરીબોનું શોષણ કરે છે. તેના લોકો જૂઠા અને બોલવે કપટી છે. તેથી મેં તમને તમારા પાપને લીધે ઘાયલ કર્યા છે અને તમારી તારાજી આરંભી દીધી છે. તમે ખાશો પણ તૃપ્ત થશો નહિ; બલ્કે ભૂખ્યા જ રહેશો. તમે સંગ્રહ તો કરો છો પણ કંઈ બચશે નહિ; કારણ, તમે જે કંઈ બચત કરશો તેનો હું લડાઈમાં નાશ કરીશ. તમે વાવશો પણ પાક લણવા પામશો નહિ. તમે દ્રાક્ષો ખૂંદશો પણ દ્રાક્ષાસવ પીવા પામશો નહિ. તમે ઓલિવનું તેલ કાઢશો, પણ તમારે અંગે તેનું માલિશ કરવા પામશો નહિ. તમે ઓમ્રી રાજા અને તેના પુત્ર આહાબના કુટુંબના દુષ્ટ વિધિઓને અનુસર્યા છો. તમે તેમની પ્રણાલિકાઓ ચાલુ રાખી છે અને તેથી હું તમને વેરાન કરીશ. સૌ તમારો તિરસ્કાર કરશે અને તમે મારા લોક હોવાને લીધે તેઓ તમારા પ્રત્યે ઘૃણાજનક વર્તાવ કરશે.” મારી કેવી દુર્દશા થઈ છે! ઉનાળામાં ફળ ઉતારી લીધા પછી કોઈ ખાવા માટે બાકી રહી ગયેલાં ફળ શોધવા જાય અને કંઈ મળે નહિ એવા ભૂખ્યા માણસ જેવો હું છું; પણ મારે માટે તો દ્રાક્ષની એક લૂમ પણ રહી નથી અથવા મનપસંદ સ્વાદિષ્ટ અંજીર પણ નથી! દેશમાં કોઈ ધર્મિષ્ઠ માણસ રહેવા પામ્યો નથી. વળી, ઈશ્વરને કોઈ વફાદાર નથી. દરેક જણ ખૂન કરવાનો લાગ શોધે છે. દરેક પોતાના ભાઈનો શિકાર કરવા તેની પાછળ પડી જાય છે. તેઓ બધા જ દુષ્ટતા આચરવામાં પાવરધા છે. અધિકારીઓ અને ન્યાયાધીશો લાંચ માગે છે. વફાદાર માણસ પોતાને જોઈતી વસ્તુ માગે છે અને તે મુજબ તેઓ ભેગા થઈને કાવાદાવા કરે છે. તેઓમાં શ્રેષ્ઠ ગણાતો માણસ ઝાંખરાં જેવો અને સૌથી પ્રામાણિક મનાતો માણસ કાંટા કરતાંયે નકામો છે. સંદેશવાહકોએ જેને વિષે ચેતવણી આપી છે તે દિવસ આવી પહોંચ્યો છે અને ત્યારે ઈશ્વર લોકોને સજા કરશે. હવે તેઓ ભારે વિમાસણમાં પડી ગયા છે. પડોશીનો વિશ્વાસ ન રાખ. વળી, તારા મિત્રનો ભરોસો ન કર. અરે, તારી સોડમાં સૂનારી તારી પત્ની સાથે ય વાત કરવામાં કાળજી રાખ. આવે વખતે પુત્રો પિતાનું માન રાખશે નહિ, પુત્રીઓ માતાની સામે થશે, યુવાન સ્ત્રીઓ સાસુઓ સામે લડશે. પોતાના કુટુંબીજનો જ માણસના શત્રુ થશે. પણ હું તો પ્રભુ તરફ તાકી રહીશ અને મારો ઉદ્ધાર કરનાર ઈશ્વરની વાટ જોઈશ. મારા ઈશ્વર મારું સાંભળશે. હે મારા શત્રુ, મારી દુર્દશામાં આનંદ ન કર. હું પડયો છું, પણ પાછો ઊભો થઈશ. હું હમણાં અંધારામાં છું, પણ પ્રભુ પોતે મારો પ્રકાશ બનશે. હું પ્રભુનો કોપ સહન કરીશ. કારણ, મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. પણ અંતે તો તે મારો પક્ષ લેશે અને મને ન્યાય અપાવશે. તે મને પ્રકાશમાં લાવશે અને હું તેમને હાથે મારો ઉદ્ધાર થયેલો જોઈશ. ત્યારે મારી દુશ્મન પ્રજા શરમિંદી બની જશે અને “તારો ઈશ્વર પ્રભુ ક્યાં છે” એવું પૂછનારને હું પરાજિત થયેલ અને શેરીના ખૂંદાતા ક્દવની જેમ ખૂંદાતા જોઈશ. હે યરુશાલેમના લોકો, શહેરનો કોટ બાંધવાનો સમય આવી રહ્યો છે. તે સમયે તમારી સરહદ વિસ્તૃત કરાશે. તે દિવસે તમારા લોકો આશ્શૂરથી અને ઇજિપ્તનાં નગરોમાંથી અરે, ઇજિપ્ત અને યુફ્રેટિસ નદી વચ્ચેના સમગ્ર પ્રદેશમાંથી સમુદ્રથી સમુદ્ર અને પર્વતથી તે પર્વત વચ્ચેના પ્રદેશમાંથી પાછા ફરશે. પરંતુ પૃથ્વી તેમાં વસનાર લોકોની દુષ્ટતાને લીધે વેરાન બની જશે. હે પ્રભુ, તમારા લોકના પાલક બનો. તમારા પસંદ કરેલા લોક એ જ તમારું ટોળું છે. તેઓ ફળદ્રુપ પ્રદેશથી ઘેરાયેલા છે, છતાં પોતે વેરાન પ્રદેશમાં એકાંતમાં રહે છે. પ્રાચીન સમયની જેમ તેમને બાશાન અને ગિલ્યાદમાં સમૃદ્ધ ગૌચરોમાં ચરવા દો. હે પ્રભુ, અમને તમે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા ત્યારે કરેલાં કાર્યો જેવાં અદ્‍ભુત કાર્યો અમારે માટે કરો. અન્ય પ્રજાઓ તે જોઈને નાસીપાસ થઈ જશે, પછી તે ગમે તેટલી શક્તિશાળી કેમ ન હોય! તેઓ શરમથી પોતાનું મોં ઢાંકી દેશે અને તેમના કાન બહેરા થઈ જશે. તેઓ સાપની જેમ ધૂળમાં પેટે ચાલશે. ભારે ભય અને ધ્રુજારી સાથે તેઓ તેમના કિલ્લાઓમાંથી બહાર નીકળી આવશે. તેઓ બીકથી ઈશ્વર આપણા પ્રભુ તરફ ફરશે. તમારા જેવા ઈશ્વર કોણ છે? કારણ, તમે તો પાપ ક્ષમા કરો છો. તમારા વારસાના એટલે કે તમારા લોકના બચી ગયેલા માણસોના અપરાધ તમે વિસારે પાડો છો. તમે તમારો ક્રોધ હંમેશાં રાખતા નથી, કારણ, દયા કરવામાં તમને આનંદ આવે છે. તમે ફરીવાર અમારા પર કરુણા કરશો. તમે અમારાં પાપ તમારા પગ તળે ખૂંદશો અને અમારા સર્વ અપરાધોને સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેશો. પ્રાચીન સમયમાં અમારા પૂર્વજો અબ્રાહમ અને યાકોબ સમક્ષ તમે સમ ખાઈને આપેલાં વચન પ્રમાણે તમારું વિશ્વાસુપણું અને તમારો અવિચળ પ્રેમ અમારા પ્રત્યે દેખાડશો. આ નિનવે વિષેનો સંદેશો છે. એમાં એલ્કોશ નગરના નાહૂમને થયેલ સંદર્શનનું વર્ણન છે. પ્રભુ પ્રતિસ્પર્ધીઓને સાંખી લેતા નથી. તે તેમના વિરોધીઓને સજા કરે છે અને તેમના રોષમાં તે તેમને બદલો વાળી આપે છે. પ્રભુ સહેજમાં ગુસ્સે થતા નથી, પણ તે શક્તિશાળી છે, અને દોષિતને શિક્ષા કર્યા વગર રહેતા નથી. જ્યાં જ્યાં પ્રભુ ચાલે છે ત્યાં ત્યાં ઝંઝાવાત ઊઠે છે. વાદળો તો તેમના ચાલવાથી ઊડતી ડમરીઓ છે. તે સમુદ્રને આજ્ઞા કરે છે એટલે તે સુકાઈ જાય છે! તે નદીઓને સૂકવી નાખે છે. બાશાનનાં ખેતરો સુકાઈ જાય છે. ર્ક્મેલ પર્વત વેરાન થઈ જાય છે અને લબાનોનનાં ફૂલો કરમાઈ જાય છે. પ્રભુની સમક્ષ પર્વતો ધ્રૂજે છે; તેમની સમક્ષ ટેકરીઓ પીગળી જાય છે. પ્રભુ પ્રગટ થાય છે ત્યારે પૃથ્વી કાંપે છે, અને દુનિયા તથા તેના લોકો ધ્રૂજે છે. તે રોષે ભરાય ત્યારે કોણ બચી શકે? તે પોતાનો જ્વાળામય રોષ ઠાલવે છે, તેમની સમક્ષ ખડકોના ચૂરેચૂરા બોલી જાય છે. પ્રભુ ભલા છે, તે પોતાના લોકોને માટે સંકટ સમયે આશ્રયદાતા છે. જેઓ તેમને શરણે જાય છે તેમની તે સંભાળ લે છે. ધસમસતાં પૂરની જેમ તે પોતાના દુશ્મનોનો નાશ કરે છે. તે તેમના વિરોધીઓને મારી નાખે છે. તમે પ્રભુની વિરુદ્ધ તરકટ રચો છો? તે તમારો નાશ કરી નાખશે. કોઈ તેમનો એકથી વધુ વખત વિરોધ કરી શકતું નથી. ભેગાં કરેલાં ઝાંખરા અને ખૂંપરાની જેમ તેમને બાળી નાખવામાં આવશે. હે નિનવે, તારામાંથી પાકેલા એક કપટી અને દુષ્ટ પુરુષે પ્રભુની વિરુદ્ધ કાવતરું ઘડયું છે. પ્રભુ પોતાની ઇઝરાયલી પ્રજાને આમ કહે છે: “જો કે આશ્શૂરીઓ સંખ્યાબંધ અને શક્તિશાળી છે, છતાં તેમનો સમૂળગો નાશ કરવામાં આવશે અને તેમનું નામનિશાન નહિ રહે. હે મારી પ્રજા, મેં તને તેઓ દ્વારા દુ:ખ આપ્યું પણ હવેથી હું તને દુ:ખી કરીશ નહિ. હવે હું તારા પરથી આશ્શૂરની સત્તાનો અંત લાવીશ અને તારાં બંધનો તોડી નાખીશ.” આશ્શૂરીઓ માટે તો પ્રભુએ આવું નિર્માણ કર્યું છે: “તેમનું નામ ચાલુ રાખનાર તેમનો કોઈ વંશજ રહેશે નહિ. તેમનાં દેવમંદિરમાં સ્થાપેલી મૂર્તિઓનું હું ખંડન કરીશ. આશ્શૂરીઓ માટે હું ઘોર ખોદી રહ્યો છું. કારણ, તેઓ હવે જીવવાને લાયક રહ્યા નથી!” જુઓ, પર્વતો પરથી શુભસંદેશ લાવનાર આવી રહ્યો છે! તે પ્રભુના વિજયને જાહેર કરવા રવાના થઈ રહ્યો છે. યહૂદિયાના લોકો, તમારાં પર્વો ઊજવો અને પ્રભુની સમક્ષ લીધેલી તમારી ગંભીર માનતાઓ પૂરી કરો. દુષ્ટો તમારા દેશ પર ફરી કદી ચઢાઈ કરશે નહિ. કારણ, તેમનો સમૂળગો નાશ કરવામાં આવ્યો છે. નિનવે, તારા પર આક્રમણ થાય છે. તને તોડીફોડીને તારા ભૂક્કા બોલાવી દેનાર વિનાશક આવી ચૂક્યો છે. તારી સંરક્ષણ હરોળો સંભાળ! રસ્તાઓ પર ચોકીપહેરો ગોઠવ! યુદ્ધ માટે સજ્જ થા! (ઇઝરાયલને તેના દુશ્મનોએ લૂંટી લીધું તે પહેલાંની તેની જાહોજલાલી પ્રભુ ફરીથી સ્થાપવાની પેરવીમાં છે.) દુશ્મનના સૈનિકોએ કિરમજી ગણવેશ ધારણ કર્યો છે, અને તેમની પાસે લાલ ઢાલો છે. તેઓ આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે! તેમના રથ અગ્નિની જેમ ઝગારા મારે છે. તેમના ઘોડા આગળ વધવા અધીરા બન્યા છે. તેમના રથો ઝંઝાવાતી ગતિથી શેરીઓમાં થઈને પસાર થાય છે. તેઓ શહેરનાં ચોકચૌટાઓમાં આમતેમ ઝડપથી ફરી રહ્યા છે. તેઓ મશાલોની પેઠે ઝળહળી રહ્યા છે અને વીજળીવેગે ધસી રહ્યા છે. સેનાનાયકોને યુદ્ધે ચઢવાનું ફરમાન થયું છે; પણ તેઓ આગેકૂચ કરતાં ઠોકર ખાય છે. હલ્લો કરનારા કોટ ઉપર ધસારો કરે છે અને કોટભંજક યંત્રો માટે આડશ ઊભી કરે છે. નદીઓ પરના દરવાજા જોરથી ખૂલી ગયા છે અને મહેલમાં ગભરાટ ફેલાઈ ગયો છે. મહારાણીને બંદીવાન તરીકે પકડી લેવામાં આવી છે અને તેની દાસીઓ હોલાની જેમ કલ્પાંત કરતાં કરતાં છાતી કૂટે છે. બંધની પાળ તૂટતાં પાણી બહાર ધસી જાય તેમ લોકો નિનવે નગરમાંથી બહાર નાસી રહ્યા છે. “થોભો! થોભો!” પોકારો થાય છે. પણ કોઈ પાછું ફરતું નથી. રૂપું લૂંટો! સોનું લૂંટો! અરે, શહેર તો કીમતી ખજાનાથી ભરપૂર છે. નિનવેનો નાશ થયો છે. તે નિર્જન અને ઉજ્જડ બની ગયું છે. હૃદયો બીકથી પીગળી ગયાં છે, ધૂંટણો થરથર ધ્રૂજે છે, શક્તિ ઓસરી ગઈ છે, ચહેરાઓ ફિક્કા પડી ગયા છે. સિંહની બોડ સમાન એ શહેર હવે ક્યાં છે? ત્યાં સિંહનાં બચ્ચાંને ખવડાવવામાં આવતાં. સિંહ અને સિંહણ બીજે જાય તો પણ તેમનાં બચ્ચાં ત્યાં સલામત રહેતાં. સિંહ શિકાર મારી લાવતો અને સિંહણ તથા બચ્ચાં માટે શિકારના ફાડીને ટુકડેટુકડા કરતો. ફાડી નાખેલા માંસથી તે પોતાની બોડ ભરી દેતો. સર્વશક્તિમાન પ્રભુ કહે છે, “હું તારો દુશ્મન છું! હું તારા રથો બાળી નાખીશ. તારા સૈનિકો યુદ્ધમાં ખપી જશે. તેં જે બીજાઓ પાસેથી પચાવી પાડયું છે, તે બધું હું તારી પાસેથી લઈ લઈશ. તારા રાજદૂતોની માગણી કોઈ સાંભળશે નહિ.” જૂઠી અને ખૂની નગરી! તું લૂંટાઈ જવાની છે. ચાબુકોના સાટકા, પૈડાંનો ગડગડાટ, ઘોડાઓના દાબલા, સખત આંચકા સાથે દોડતા રથો - એ બધું સાંભળો. ઘોડેસવારો ધસી જાય છે. તલવારો ઝગારા મારે છે, ભાલાઓ ચમકે છે. અસંખ્ય માનવી માર્યા જાય છે, મુડદાંના ઢગ ખડક્ય છે. માણસો તેમાં ઠોકર ખાય છે. વેશ્યા જેવી નિનવે નગરીને શિક્ષા થઈ રહી છે. એ આકર્ષક અને નખરાંબાજે પ્રજાઓને મોહિત કરીને વશ કરી દીધી. સર્વશક્તિમાન પ્રભુ કહે છે, “હે નિનવે, હું તને શિક્ષા કરીશ. હું તને નિર્વસ્ત્ર કરી દઈશ અને પ્રજાઓ તારી નગ્નતા જોશે. હું તને તુચ્છકારથી જોઈશ અને ગંદકીથી ભરી દઈશ. લોકો તને જોઈને ભયભીત થઈ જશે. તને જોઈને સૌ પાછાં હઠી જશે અને સ્તબ્ધ થઈ જઈ કહેશે, ‘નિનવે ખંડિયેર બની ગયું. તેના પ્રત્યે કોણ સહાનુભૂતિ દાખવશે અથવા તેને કોણ દિલાસો આપશે?” ઇજિપ્તની રાજધાનીના નગર કરતાં શું તું ચડિયાતું છે? નાઈલ નદી તેના ગઢ અને કિલ્લા સમાન હતી. તે કુશ અને ઇજિપ્ત ઉપર રાજ્ય કરતું હતું અને તેની સત્તા અસીમ હતી. લુદ તેનું મિત્ર-રાજ્ય હતું. છતાં નો નગરના લોકો દેશનિકાલમાં લઈ જવાયા. તેના દરેક નાકે તેનાં બાળકોને ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યાં. તેના અગ્રણીઓ સાંકળે બાંધીને લઈ જવાયા અને તેમને પકડનારાઓએ તેમને વહેંચી લીધા. નિનવે, તું પણ ઘેનભરી ઘેરી નિદ્રામાં પડશે. તું પણ તારા દુશ્મનોના હાથમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કરશે. તારા બધા કિલ્લાઓ પાકાં અંજીરોથી છવાયેલી અંજીરી જેવા થશે. એવી અંજીરી ખંખેરતાં જેમ અંજીરો સીધાં મોંમાં પડે તેમ કિલ્લાના કાંગરા ખરી પડશે! તારા સૈનિકો નામર્દ અને તારો દેશ શત્રુઓની આગળ રક્ષણવિહોણો છે. તારા દરવાજાઓ પરના લાકડાના પાટડા અગ્નિથી બાળી નંખાશે. ઘેરા માટે પાણી ભર અને તારા કિલ્લાઓ સંગીન બનાવ. ઈંટો પાડવા ગારો ગૂંદ અને બીબાં તૈયાર કર. તું ગમે તે કરે છતાં કાં તો તું બાળી નંખાશે અથવા બડાઈમાં માર્યું જશે. તીડો જેમ પાકને ખાઈ જાય છે તેમ તને ખતમ કરી નાખવામાં આવશે. તું ય તીડોની માફક વધ્યો છે. આકાશમાં જેટલા તારા છે તેનાં કરતાં તેં વધુ વેપારીઓ પેદા કર્યા છે! પણ જેમ તીડો પાંખો પ્રસારીને ઊડી જાય તેમ તેઓ પણ જતા રહ્યા છે. ઠંડા દિવસે દીવાલની બખોલોમાં તીડો ભરાઈ રહે, પણ સૂર્ય ઊગતાંની સાથે જ જેમ તેઓ ઊડી જાય છે અને તેમનો પત્તો લાગતો નથી, તેમ તારા સેનાનાયકો લાપતા બન્યા છે. હે આશ્શૂરના સમ્રાટ, તારા રાજ્યપાલો મૃત્યુ પામ્યા છે અને તારા અમીર ઉમરાવો સદાને માટે પોઢી ગયા છે! તારા લોકો પર્વતો ઉપર વિખેરાઈ ગયા છે અને તેમને ઘેર પાછા લાવનાર કોઈ રહ્યું નથી. તને પડેલા ઘાનો કોઈ ઇલાજ નથી અને તારા ઘા રૂઝાય તેવા નથી. તારા વિનાશના સમાચાર સાંભળનાર સૌ કોઈ હર્ષથી તાળીઓ પાડે છે. શું કોઈ તારી અનહદ ક્રૂરતાથી બચ્યું હતું? હબાક્કુક સંદેશવાહકને પ્રભુએ સંદર્શનમાં પ્રગટ કરેલો આ સંદેશ છે. હે પ્રભુ, તમે મારું સાભળો અને જોરજુલમથી અમારો બચાવ કરો. તે માટે મારે તમને ક્યાં સુધી મદદને માટે પોકાર કર્યા કરવો? શા માટે તમે મને અન્યાય જોવા દો છો? તમે કેવી રીતે ખોટું સાંખી લો છો? મારી આસપાસ મારફાડ અને હિંસા છે. સર્વત્ર લડાઈ અને ઝઘડા છે. કાયદા કમજોર અને નિરુપયોગી બની ગયા છે અને ન્યાય મળતો નથી. દુષ્ટોએ ઈશ્વરપરાયણ લોકોને દબાવી દીધા છે. તેથી ન્યાય ઊંધો વળે છે. ત્યારે પ્રભુએ પોતાના લોકોને કહ્યું, “તમારી આસપાસની વિદેશી પ્રજાઓને નિહાળતા રહો; અને તમે જે જુઓ છો તેથી આશ્ર્વર્ય પામશો. હું તમારા સમયમાં એવું ક્મ કરવાનો છું કે તમે એ વિષે સાંભળો ત્યારે તે માનશો જ નહિ. હું બેબિલોનની ઝનૂની અને આક્રમક પ્રજાને ઉશ્કેરી રહ્યો છું. તેઓ બીજાઓનાં રહેઠાણની ભૂમિ પચાવી પાડવા સમસ્ત પૃથ્વી પર કૂચ કરે છે. તેઓ સર્વત્ર ભય અને આતંક ફેલાવે છે. પોતે જ માને તે જ કાયદો એવા તે છે. તેઓ પોતે જ પોતાની પ્રતિષ્ઠા વધારે છે.” તેમના ઘોડા ચિત્તાઓ કરતાં વિશેષ ઝડપી અને વરુ કરતાં વિશેષ વિકરાળ છે. તેમના ઘોડેસવારો દૂરના દેશોમાંથી ધસમસતા આવે છે. પોતાના શિકાર પર તરાપ મારતા ગરુડની જેમ તેઓ અચાનક હુમલો કરે છે. તેમનાં સૈન્ય મારફાડ કરતાં આગળ ધપે છે અને તેમને આગળ ધપતાં જોઈને સૌ કોઈ ભયભીત થઈ જાય છે. તેમના કેદીઓની સંખ્યા રેતીના કણ જેટલી છે. તેઓ રાજાઓનો તિરસ્કાર કરે છે અને સેનાનાયકોની મજાક ઉડાવે છે. કોઈ કિલ્લેબંધી તેમને રોકી શક્તી નથી. કારણ, તેઓ તેની સમાન્તર સપાટીનો ઢોળાવ બનાવી તેને સર કરે છે. પછી તેઓ પવન વેગે આગળ જતા રહે છે. તેઓ પોતાના બળને જ પોતાનો ઈશ્વર માને છે અને એમ ગુનેગાર ઠરે છે. હે પ્રભુ, તમે પ્રારંભથી જ ઈશ્વર છો. તમે અમારા પવિત્ર અને સનાતન ઈશ્વર છો. હે પ્રભુ, મારા ઈશ્વર અને રક્ષક, અમને શિક્ષા કરવા માટે જ તમે બેબિલોનવાસીઓને પસંદ કરીને તેમને બળવાન બનાવ્યા છે. તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતા જોઈ શક્તા નથી, તેમ જ ભ્રષ્ટતા પર નજર કરી શક્તા નથી. તો પછી તમે આ કપટી અને દુષ્ટ લોકોને કેમ સાંખી લો છો? તેમનાં કરતાં વધારે નેક એવા લોકોનો તેઓ સંહાર કરે છે, ત્યારે તમે કેમ ચૂપ બેસી રહો છો? તમે લોકોને, જેમનો કોઈ માર્ગદર્શક નથી એવા સમુદ્રનાં માછલાં જેવા અને જીવજંતુના ટોળાં જેવા કેમ ગણો છો? બેબિલોનીઓ તો જાણે ગલથી માછલાં પકડતા હોય તેમ લોકોને પકડે છે. તેઓ તેમને જાળથી ખેંચી કાઢે છે અને તેમને આ રીતે પકડવાનો આનંદ અનુભવે છે. તેઓ તેમની જાળોની પણ પૂજા કરે છે, તેમને બલિદાન આપે છે અને ધૂપ બાળે છે. કારણ, તેમની જાળો તેમને ઉત્તમ વસ્તુઓ પૂરી પાડે છે. તો શું તેઓ તેમની તલવાર ચલાવ્યા જ કરશે અને પ્રજાઓનો નિર્દય સંહાર કર્યા જ કરશે? મારી ફરિયાદનો મને શો જવાબ મળે છે અને પ્રભુ મને શું કહે છે તે જાણવા હું મારી ચોકી પર ઊભો રહીશ. હા, મારા ચોકીના બુરજ પર ચઢીને તેની રાહ જોઈશ. પ્રભુએ મને આ પ્રમાણે જવાબ આપ્યો, “હું તને જે પ્રગટ કરું તે પાટીઓ પર એવું સ્પષ્ટ લખ કે દોડનાર પણ સહેલાઈથી વાંચી શકે. નોંધી લે કારણ, એનો સમય પાકશે જ. એ બનવાનું છે, પણ એ પૂર્ણ થવાનો સમય ઝડપથી આવી રહ્યો છે, અને એ પ્રક્ટીકરણ સાચું પડવાનું છે. કદાચ એ જાણે પૂરું થવામાં વિલંબ થતો હોય તેમ જણાય તોય તેની રાહ જો. એ પૂર્ણ થશે જ અને એમાં વિલંબ થશે જ નહિ.” અને સંદેશ તો આવો છે: ‘દુષ્ટો બચી જશે નહિ, પણ જેઓ ઈશ્વરપરાયણ છે તેઓ જીવશે, કારણ, તેમનો વિશ્વાસ ઈશ્વર પર છે.’ સંપત્તિ ઠગારી છે. લોભીઓ, ઘમંડી અને બેચેન હોય છે. મૃત્યુલોક શેઓલના જેવી તેમની લાલસા હોય છે અને મોતની માફક તેઓ ક્યારેય સંતોષ પામતા નથી. તેઓ એક પછી બીજી પ્રજાઓને જીતી લે છે. એ બધી જીતાયેલી પ્રજાઓ તેમના વિજેતાઓને મહેણાં મારતાં તેમનો તિરસ્કાર નહિ કરે? તેઓ કહેશે, “તમે જે તમારું નથી તે પચાવી પાડો છો, પણ તમારું આવી બન્યું છે! ક્યાં સુધી તમે તમારા દેવાદારોને દેવું ભરી દેવાની ફરજ પાડીને ધનવાન થતા જ રહેશો?” પણ બીજાઓને જીતી લેનારા તમે પોતે જ અચાનક દેવાદાર બની જશો અને તમને જ વ્યાજ ભરી દેવાની ફરજ પાડવામાં આવશે. દુશ્મનો આવીને તમને ધ્રુજાવી દેશે. તેઓ તમને લૂંટી લેશે. તમે ઘણી પ્રજાઓને લૂંટી છે, પણ તેઓમાંથી બચી ગયેલા લોકો હવે તમને લૂંટશે; કારણ, તમે તેમનામાં ખૂનામરકી ચલાવી છે અને દુનિયાના લોકો અને તેમનાં શહેરો પર જોરજુલમ ગુજાર્યા છે. તમારું આવી બન્યું છે! તમે જોરજુલમથી પડાવી લઈને તમારા કુટુંબને ધનવાન બનાવ્યું છે, અને ઊંચે બાંધેલા માળાની જેમ તમારા ઘરને નુક્સાન અને જોખમથી સલામત કર્યું છે. પણ તમારા બદઇરાદાઓથી તમારા કુટુંબને લાંછન લાગ્યું છે; ઘણી પ્રજાઓનો નાશ કરીને તમે પોતાનો વિનાશ વહોરી લીધો છે. પણ એ ઘરની દીવાલોના પથ્થરો પણ તમારી વિરુદ્ધ પોકારી ઊઠશે, અને લાકડાના ભારટિયા એ પોકારનો પડઘો પાડશે. તમારું આવી બન્યું છે! તમે રક્તપાતથી નગરનો પાયો નાખ્યો છે અને અન્યાયથી તેને બાંધ્યું છે. તમે જે પ્રજાઓને જીતી લીધી તેમણે નિરર્થક શ્રમ કર્યો. કેમ કે તેમણે જે બાંધ્યું તે અગ્નિની જ્વાળાઓમાં બળીને ખાખ થઈ ગયું છે. સર્વ -સમર્થ પ્રભુએ એમ થવા દીધું છે. પણ સમુદ્ર જેમ પાણીથી ભરપૂર છે તેમ પ્રભુના ગૌરવના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થશે. તમારું આવી બન્યું છે! તમે તમારા ઝનૂનમાં તમારા પડોશીઓની બદનામી કરી છે અને તેમને હલકા પાડયા છે. પીને ચકચૂર થઈને લથડિયાં ખાનારાની જેમ તેમને લથડિયાં ખાતા કર્યા છે. સન્માનને બદલે લજ્જિત થવાનો તમારો પણ વારો આવશે. તમે પીને લથડિયાં ખાશો; હા, પ્રભુ તરફથી તમારે તમારી સજાનો પ્યાલો પીવો પડશે અને તમારી કીર્તિ રગદોળાઈ જશે. તમે લબાનોનનાં જંગલો કાપી નાખ્યાં; હવે તમને કાપી નાખવામાં આવશે. તમે તેમાંનાં પ્રાણીઓ મારી નાખ્યાં, હવે પ્રાણીઓ તમને થથરાવશે. તમે ક્તલ ચલાવી છે અને દુનિયાના લોકો તથા તેમનાં શહેરો પર અત્યાચારો ગુજાર્યા છે તે માટે એમ બનશે. મૂર્તિઓ શા ક્મની છે? એ તો માત્ર માણસના હાથની કૃતિ જ છે. તે માત્ર જૂઠું જ શીખવે છે. કંઈ બોલી ન શકે એવા મૂંગા દેવ પર ભરોસો રાખવાથી તેમના બનાવનારને શો લાભ થાય છે? તારું આવી બન્યું છે; કારણ, તું લાકડાના ટુકડાને કહે છે, “જાગ” અને પથ્થરના ટુકડાને કહે છે, “ઊઠ.” મૂર્તિ તને કોઈ વાત પ્રગટ કરી શકે? તેને સોના કે રૂપાથી મઢી હોય તો પણ તે નિર્જીવ છે. પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાં છે અને પૃથ્વી પરનાં સૌ તમે તેમની સમક્ષ ચૂપ રહો! હબાક્કુક સંદેશવાહકની આ પ્રાર્થના છે. (શિગ્યોનોથ પર) હે પ્રભુ, તમારાં કામો વિષે મેં તમારી કીર્તિ સાંભળી છે અને તેથી હું વિસ્મય પામું છું. હે પ્રભુ, અમારા સમયમાં પણ એવાં અજાયબ ક્મ ફરી કરી બતાવો. તમે કોપાયમાન થયા હોય, તોપણ દયા દર્શાઓ. ઈશ્વર તેમાનથી આવે છે; પવિત્ર ઈશ્વર પારાનના ડુંગરો પરથી આવે છે. (સેલાહ) તેમના પ્રકાશથી આકાશ છવાઈ જાય છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે. તેમનો પ્રકાશ સૂર્યના જેવો છે. તેમના હાથમાંથી કિરણો ફૂટે છે. તેમનું સામર્થ્ય ત્યાં જ છુપાયેલું છે. મરકી તેમની આગળ આગળ જાય છે અને રોગચાળો તેમને પગલે પગલે ચાલે છે. તે થોભે છે, તો પૃથ્વી કાંપી ઊઠે છે. તેમની નજર માત્રથી પ્રજાઓ થરથરે છે. પ્રાચીન પર્વતોના ચૂરેચૂરા થઈ જાય છે. કાયમી ડુંગરા જેના પર તે પુરાતન સમયમાં ચાલતા તે ધરાશાયી બની જાય છે. મેં કુશાનના લોકોને ભયભીત થયેલા જોયા, અને મિદ્યાનના લોકોને થરથરતા જોયા. હે પ્રભુ, શું નદીઓએ તમને કોપાયમાન કર્યા? શું સમુદ્રે તમને રોષ ચઢાવ્યો? તમે તમારા લોકોને વિજય પમાડયો ત્યારે તમે વાદળો પર સવારી કરી અને ઝંઝાવાતી વાદળાં તમારા રથ હતાં. તમે તમારું ધનુષ્ય ઉપાડેલું છે, અને તમારું અચૂક બાણ તાકેલું છે. (સેલાહ) તમે તમારા વીજબાણથી પૃથ્વીને ચીરી નાખો છો. તમને જોઈને પર્વતો કંપ્યા, આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો; ભૂગર્ભમાં પાણી ગર્જ્યાં અને તેમના ફૂવારા ઊંચે ઊછળ્યા. તમારા તેજીલાં બાણોના ઝબકારાથી અને ચમક્તા ભાલાના ચળક્ટથી સૂર્ય અને ચંદ્ર થંભી ગયા. તમે તમારા રોષમાં પૃથ્વીને ખૂંદી વળો છો, અને ગુસ્સામાં પ્રજાઓને કચડી નાખો છો. તમારા લોકોને ઉગારવા અને તમારા અભિષિક્ત રાજાને બચાવવા તમે બહાર નીકળી આવો છો. (સેલાહ) તમે દુષ્ટોના અધિપતિને મહાત કર્યો છે અને તેના સાથીદારોનો સંપૂર્ણ સંહાર કર્યો છે. ગરીબો પર છૂપી રીતે અત્યાચાર કરવામાં આનંદ માનનારા લોકોની જેમ, તેના સૈન્યે અમને વેરવિખેર કરી નાખવા અમારા પર પ્રચંડ હુમલો કર્યો. ત્યારે તમે તેના સેનાપતિને તમારા બાણથી વીંધી નાખ્યો. ઘોડેસવાર થઈ તમે સમુદ્રને ખૂંદી વળ્યા, ત્યારે તેનાં ઊછળતાં પાણી ફીણ ફીણ થઈ ગયાં. એ બધું સાંભળીને હું ધ્રૂજી ઊઠું છું. મારા હોઠ ભયથી થરથરે છે. મારા શરીરના સ્નાયુઓ ઢીલા થઈ જાય છે અને મારા પગ લથડાય છે. અમારા પર આક્રમણ કરનારાઓને ઈશ્વર શિક્ષા કરે તે સમયની હું ધીરજપૂર્વક વાટ જોઈશ. જો કે અંજીરીને ફૂલ ન બેસે, અને દ્રાક્ષવેલાઓ પર કંઈ દ્રાક્ષ ન પાકે; જો કે ઓલિવનો પાક નિષ્ફળ નીવડે, અને ખેતરોમાં કંઈ ધાન્ય પાકે નહિ; જો કે વાડામાંનાં બધાં ઘેટાં નાશ પામે, અને ઢોરની બધી કોઢો ખાલીખમ થઈ જાય, તો પણ હું પ્રભુ મારા ઈશ્વરને લીધે હર્ષનાદ કરીશ, કારણ, તે મારા ઉદ્ધારક છે. પ્રભુ પરમેશ્વર મને સામર્થ્ય બક્ષે છે. તે મારા પગને હરણના જેવા ચપળ બનાવે છે અને મને પર્વતીય સ્થાનોમાં સંભાળીને ચલાવે છે. (સંગીત સંચાલક માટે નોંધ: ગીત તંતુવાદ્ય સાથે ગાવાનું છે.) આમોનના પુત્ર યહૂદિયાના રાજા યોશિયાના અમલમાં, હિઝકિયાના પુત્ર અમાર્યાના પુત્ર ગદાલ્યાના પુત્ર કૂશીના પુત્ર સફાન્યાને પ્રભુ તરફથી મળેલો આ સંદેશો છે. પ્રભુએ કહ્યું, “હું ધરતીના પટ પરથી સર્વસ્વનો સંપૂર્ણ નાશ કરવાનો છું. સમસ્ત માનવજાત અને પશુઓ, પક્ષીઓ અને માછલાંનો નાશ કરીશ. હું દુષ્ટોનું પતન થવા દઇશ. હું સમસ્ત માનવજાતનો નાશ કરીશ અને કોઈ બચી જશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું. “હું યરુશાલેમ તથા આખા યહૂદિયાને શિક્ષા કરીશ. હું ત્યાંની બઆલની પૂજાનું નામનિશાન ભૂંસી નાખીશ અને તેની સેવા કરનારા વિધર્મી યજ્ઞકારોનું કોઈ સ્મરણ પણ નહિ કરે. ઘરની અગાશી ઉપર સૂર્ય, ચંદ્ર અને તારામંડળની ભક્તિ કરવા જનારાઓનો હું નાશ કરીશ. જેઓ મારી ભક્તિ કરે છે અને મને વફાદાર રહેવાના સોગન ખાય છે અને વળી મિલ્કોમ દેવના પણ સોગન ખાય છે તેમનો હું સંહાર કરીશ. જેઓ મારાથી વિમુખ થઈ જઈ હવે મને અનુસરતા નથી, અને મારી પાસે આવતા નથી કે મારું માર્ગદર્શન મેળવવા માગતા નથી એવા લોકોને પણ હું નષ્ટ કરીશ.” પ્રભુ ન્યાય કરશે તે દિવસ પાસે છે; તેથી તેમની સંમુખ ચૂપ રહો. પ્રભુ પોતાના લોકનું બલિદાન કરી દેવા તેમને તૈયાર કરે છે અને યહૂદિયાને લૂંટાવી દેવા શત્રુઓને અલગ કરી તેમને આમંત્રણ આપ્યું છે. સંહારના એ દિવસે રાજપુરુષો, રાજકુમારો અને વિદેશી રીતરિવાજોનું અનુકરણ કરનારા સૌનો હું નાશ કરીશ. પ્રભુ કહે છે, “જેઓ મંદિરના ઉંબરા પર પગ મૂકવાનું ટાળીને વિદેશીઓની જેમ ભક્તિ કરે છે, અને પોતાના માલિકના મહેલ ભરી દેવા જોર-જુલમ અને કપટથી લૂંટ ચલાવે છે તેમનો પણ હું સંહાર કરીશ.” પ્રભુ કહે છે, “તે દિવસે તમે યરુશાલેમના મચ્છી દરવાજે રુદનનો પોકાર સાંભળશો. વળી, નગરના નવીન વિભાગમાં વિલાપનો અવાજ અને ડુંગરોમાંથી કડાકા સાંભળશો. હે નગરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો, તમે એ વિલાપ અને રુદન સાંભળો ત્યારે તમે પણ પોક મૂકો. કારણ, તમામ વેપારીવર્ગ નષ્ટ થયો છે અને રૂપાથી લદાયેલા સૌનો સંહાર થયો છે. “એ સમયે હું દીવો લઈને યરુશાલેમમાં શોધી વળીશ, અને પ્રભુ તો ભલું નહિ કરે, તેમ ભૂંડું યે નહિ એવું મનમાં કહેનારા સંતુષ્ટ અને આત્મવિશ્વાસ ધરાવનાર લોકોને હું શિક્ષા કરીશ. તેમની સંપત્તિ લૂંટી લેવાશે, અને તેમનાં ઘર તોડી પડાશે. પોતે બાંધેલાં ઘરોમાં તેઓ ન તો રહી શકશે, ન તો પોતે રોપેલી દ્રાક્ષવાડીનો દ્રાક્ષાસવ પી શકશે.” પ્રભુનો મહાન દિવસ પાસે છે. તે નજીક છે અને બહુ ઝડપભેર આવી રહ્યો છે. એ દિવસનો સાદ ઘણો કરુણ હશે. કારણ, શૂરવીરો પણ હતાશ થઈ રડી પડશે.! એ તો કોપનો દિવસ, સંકટ અને કષ્ટનો દિવસ, વેરાન તથા વિનાશનો દિવસ, અંધકાર અને ગમગીનીનો દિવસ, ઘોર અંધકારનો અને વાદળાંવાળો દિવસ હશે. કિલ્લેબંધીવાળાં નગરો અને ઊંચા બુરજો પર આક્રમણ કરતા સૈનિકોના લલકાર અને લડાઈનાં ભયસૂચક રણશિંગડાંના નાદનો એ દિવસ હશે. પ્રભુ કહે છે, “હું માનવજાત ઉપર એવો પ્રકોપ ઠાલવીશ કે પ્રત્યેક માણસ આંધળાની જેમ ફંફોસી ફંફોસીને ચાલશે; કારણ, તેમણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે. હું તેમનું રક્ત જમીન પર પાણીની પેઠે વહાવીશ અને તેમનાં શબ પણ ત્યાં સડશે. પ્રભુના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ; તેમના કોપાગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે; કારણ, તે પૃથ્વીનાં સર્વ રહેવાસીઓનો એક ઝપાટે અંત લાવશે.” ઓ બેશરમ લોકો, એકત્ર થાઓ. પવનથી ઊડી જતાં ફોતરાંની જેમ તમને હાંકી કાઢવામાં આવે તે પહેલાં, પ્રભુનો કોપાગ્નિ તમારા પર આવી પડે તે પહેલાં એટલે પ્રભુના રોષનો દિવસ આવી લાગે તે પહેલાં એકત્ર થાઓ. *** હે દેશના નમ્રજનો, તથા તેમનો નિયમ પાળનાર લોકો, પ્રભુ તરફ પાછા ફરો. સદાચાર કરો અને પ્રભુ સમક્ષ પોતાને દીન કરો; પ્રભુ પોતાનો રોષ ઠાલવે તે દિવસે તમને કદાચ સંતાવાને આશ્રયસ્થાન મળી રહે. કારણ, ગાઝા નગરનો ત્યાગ કરવામાં આવશે, ને આશ્કલોન ઉજ્જડ બની જશે, આશ્દોદમાં ખરે બપોરે ઓચિંતા હુમલાથી તેના લોકોને હાંકી કાઢવામાં આવશે, અને એક્રોનના લોકોને તે શહેરમાંથી હાંકી કાઢવામાં આવશે. હે સમુદ્ર કિનારે વસતા પલિસ્તીઓ, તમારું આવી બન્યું છે. પ્રભુએ તમને સજા ફટકારી દીધી છે. તે તમારો નાશ કરશે, અને તમારામાંથી કોઈ બચી જશે નહિ. સમુદ્રકિનારાનો તમારો પ્રદેશ ખુલ્લા મેદાન જેવો બની જશે અને તેમાં ભરવાડો તંબૂ તાણશે અને ઘેટાંબકરાંના વાડા બાંધશે. યહૂદિયાના બચી જઈને બાકી રહેલા લોક એ ભૂમિનો કબજો લેશે, તેઓ ત્યાં તેમનાં ઘેટાં ચારશે, અને રાત્રે આશ્કલોનનાં ખાલી પડેલાં ઘરોમાં સૂઈ રહેશે; પ્રભુ તેમના ઈશ્વર તેમની સાથે રહેશે. અને તેમને ફરીથી સ્વતંત્ર અને સમૃદ્ધ કરશે. સર્વસમર્થ પ્રભુ કહે છે, “મોઆબના લોકોએ મારા લોકને મહેણાં માર્યાં છે; આમ્મોનના લોકોએ તેમની નિંદા કરી છે, અને બળજબરીપૂર્વક તેમનો મુલક પચાવી પાડીશું એવી બડાશ મારી છે. મેં એ બધું સાંભળ્યું છે. હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ છું, મારા જીવના સમ, સદોમ અને ગમોરાની જેમ જ મોઆબ અને આમ્મોનનો નાશ થશે. એના પ્રદેશો મીઠાના અગરની અને ઝાંખરાવાળી ઉજ્જડ જગ્યા બની રહેશે. મારા બચી ગયેલા લોકો તેમને લૂંટી લેશે અને તેમનો પ્રદેશ પચાવી પાડશે.” સર્વસમર્થ પ્રભુના લોકોનું અપમાન કરવા બદલ અને અભિમાની તથા ઉદ્ધત વર્તન માટે મોઆબ તથા આમ્મોનના લોકોને એવી શિક્ષા થશે. પ્રભુ તેમને ગભરાવી મૂકશે. તે પૃથ્વીના દેવોને નષ્ટ કરશે, અને ત્યારે તો સર્વ પ્રજાઓ પોતપોતાના દેશમાં પ્રભુની ભક્તિ કરશે. પ્રભુ કુશી લોકોનો પણ તલવારથી સંહાર કરશે. તે પોતાની શક્તિથી આશ્શૂરનો પણ નાશ કરશે. તે નિનવે નગરને ઉજ્જડ, ખંડિયેર અને નિર્જળ અરણ્ય બનાવી દેશે. તે ઘેટાંબકરાંનાં ટોળાં, અન્ય ઢોરઢાંક અને સર્વ પ્રકારનાં પ્રાણીઓને પડી રહેવાનું સ્થાન બની જશે. તેનાં ખંડિયેરમાં ધુવડો રહેશે અને બારીઓમાંથી ધુઘવાટા કરશે. પ્રવેશદ્વારનાં પગથિયાં પર કાગડાઓ કાગારોળ કરશે. તેની ઇમારતો પરનું ગંધતરુનું લાકડું ઊખેડી લેવાશે. પોતાની સત્તામાં મદમસ્ત અને પોતે સલામત છે એવું માનતા શહેરની એવી દુર્દશા થશે. પોતાનું શહેર તો દુનિયામાં સૌથી મહાન છે એવું તેના લોકો માને છે. પણ એ કેવું વેરાન બની જશે! એ તો વન્ય પશુઓનું વિશ્રામસ્થાન બની જશે! તેની પાસેથી પસાર થનાર સૌ કોઈ ભયભીત બની તેનાથી દૂર ભાગશે. હે બંડખોર, ભ્રષ્ટાચારી અને જુલમી નગરી, તારી તો કેવી દુર્દશા થશે. તેણે પ્રભુનું કહેવું માન્યું નથી અને તેમની શિખામણ સ્વીકારી નથી. તેણે પ્રભુ પર પોતાનો વિશ્વાસ મૂક્યો નથી અને તે મદદને માટે પ્રભુ પાસે ગઈ નથી. તેના સેનાનાયકો ગરજતા સિંહ જેવા છે; મળેલું હાડકું ખાવાનું સવાર સુધી છોડે નહિ એવા ભૂખ્યા વરુઓ જેવા લોભી તેના ન્યાયાધીશો છે. સંદેશવાહકો બેજવાબદાર અને કપટી છે. યજ્ઞકારોએ પવિત્ર વસ્તુઓને ભ્રષ્ટ કરી છે અને પોતાના હિતમાં તેઓએ નિયમશાસ્ત્રનો મારી મચરડીને ભંગ કર્યો છે. છતાં પ્રભુ હજી પણ એ નગરીમાં છે. તે હંમેશાં જે વાજબી અને ઘટારત છે તે જ કરે છે, અને ખોટું કદી કરતા નથી. દર સવારે તે અચૂકપણે પોતાનું ન્યાયીપણું જાહેર કરે છે. તેમ છતાં ત્યાંના દુષ્ટો ખોટાં ક્મ કરતાં શરમાતા નથી. પ્રભુ કહે છે, “મેં આખી ને આખી પ્રજાઓને નાબૂદ કરી નાખીને તેમનાં શહેરોનો મેં નાશ કર્યો છે અને એ શહેરોના કોટ અને બુરજો ખંડિયેર હાલતમાં પડયા છે. એ શહેરો છોડીને લોકો ચાલ્યા ગયા છે. શેરીઓ ખાલી થઈ ગઈ છે અને ત્યાં કોઈ કહેતાં કોઈ રહ્યું નથી. તે પરથી મને લાગ્યું કે હવે મારા લોકો મારો આદર રાખશે, અને મારી શિખામણ ગ્રહણ કરશે અને મેં તેમને શિખવેલો પાઠ ભૂલી જશે નહિ. પણ તેઓ બહુ વહેલા ભૂંડાં કામો કરવા તરફ વળી ગયા.” પ્રભુ કહે છે, “થોભો અને હું પ્રજાઓને દોષિત ઠરાવવાનો છું એ દિવસની રાહ જુઓ. મારા કોપની ભયંકરતાનો અનુભવ કરાવવા માટે મેં પ્રજાઓ અને રાજ્યોને એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. સમસ્ત પૃથ્વી મારા કોપાગ્નિથી બળીને ભસ્મ થઈ જશે.” “ત્યારે હું પ્રજાઓને શુદ્ધ હોઠો આપીશ, તેઓ બીજા કોઈ દેવોને નહિ, પણ માત્ર મને જ પ્રાર્થના કરશે. તેઓ બધા મને આધીન થશે. છેક કુશ દેશમાંથી મારા વિખેરાઈ ગયેલા લોકો આવીને મને અર્પણો ચઢાવશે. તે સમયે તમે, મારા લોકોએ મારી વિરુદ્ધ કરેલા બંડને લીધે તમારે શરમાવું નહિ પડે. હું ઘમંડી અને ઉદ્ધત માણસોને દૂર કરીશ અને તમે મારા પવિત્ર પર્વત પર ક્યારેય મારી વિરુદ્ધ બંડ કરશો નહિ. ત્યાં હું નમ્ર અને દીનજનોને રહેવા દઈશ અને તેઓ મદદ માટે મારા પર આધાર રાખશે. ઇઝરાયલના બચી ગયેલા લોકો કોઈનું ભૂંડું કરશે નહિ, જૂઠું બોલશે નહિ, તેમજ કપટી વાતોથી છેતરાશે નહિ. તેઓ સમૃદ્ધ અને સલામત રહેશે અને કોઈથી બીશે નહિ.” હે સિયોનના લોકો, હે ઇઝરાયલના લોકો, હર્ષનાદ કરો; હે યરુશાલેમના લોકો, તમારા પૂરા દયથી આનંદ કરો! પ્રભુએ તારા પરની શિક્ષા અટકાવી દીધી છે; તેણે તારા સર્વ શત્રુઓને દૂર કર્યા છે. ઇઝરાયલનો રાજા, યાહવે તારી સાથે છે. હવે ગભરાવાનું કોઈ કારણ નથી. એવો સમય આવે છે જ્યારે તેઓ યરુશાલેમને કહેશે, “હે સિયોન નગરી, ગભરાઈશ નહિ, તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ! તારા ઈશ્વર પ્રભુ તારી મધ્યે છે. તે પોતાના સામર્થ્યથી તારો બચાવ કરનાર છે. પ્રભુ તારામાં હર્ષ પામશે અને તેમના પ્રેમમાં તે તને નવજીવન બક્ષશે. તે ગાયન કરશે અને તારે લીધે પર્વોત્સવના આનંદ જેવા આનંદથી હરખાશે.” પ્રભુ કહે છે, “મેં આવી પડનાર દુર્દશાની ધાકનો અંત આણ્યો છે અને તારું લાંછન દૂર કર્યું છે. એવો સમય આવે છે, જ્યારે હું તારા પર જુલમ ગુજારનારાને શિક્ષા કરીશ. હું સર્વ અપંગોને છોડાવીશ અને તેમને દેશનિકાલીમાંથી વતનમાં લાવીશ. હું તેમની શરમને કીર્તિમાં ફેરવી દઈશ અને આખી દુનિયા તેમની પ્રશંસા કરશે. એવો સમય આવે છે જ્યારે હું તારા વેરવિખેર થઈ ગયેલા લોકોને વતનમાં પાછા લાવીશ. આખી દુનિયામાં હું તમને નામીચા કરીશ અને તમને ફરીથી સમૃદ્ધ કરીશ.” પ્રભુ પોતે એ બોલ્યા છે. ઇરાનના સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક દ્વારા શઆલ્તીએલના પુત્ર, યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ અને યહોસાદાકના પુત્ર પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ માટે સંદેશો મોકલ્યો. સર્વસમર્થ પ્રભુએ હાગ્ગાયને કહ્યું, “આ લોકો કહે છે કે પ્રભુનું મંદિર બાંધવાનો સમય હજી આવ્યો નથી.” તેથી પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક દ્વારા લોકોને આ સંદેશો આપ્યો: “તો પછી હે મારી પ્રજા, મારું મંદિર ખંડિયેર અવસ્થામાં પડયું છે ત્યારે તમારે તમારાં સુશોભિત મકાનોમાં રહેવાનો આ સમય છે? તમારી હાલની સ્થિતિનો યાનપૂર્વક વિચાર કરો. તમે વાવો છો ઘણું, પણ અતિ ઓછો પાક લણો છો. ખાવાને તમારી પાસે ખોરાક છે, પણ તેથી તમે ધરાઈ શક્તા નથી. પીવાને તમારી પાસે દ્રાક્ષાસવ છે, પણ તેનાથી તમે તૃપ્ત થઈ શક્તા નથી. તમારી પાસે વસ્ત્ર છે, પણ તેનાથી તમને હૂંફ વળતી નથી. તમે કમાઓ છો, પણ તમારી કમાણી કાણી કોથળીમાં નાખવા બરાબર થાય છે. આવું કેમ થાય છે તેનો વિચાર કરો. તો હવે પહાડી પ્રદેશમાંથી લાકડાં લાવીને મંદિર બાંધો. એથી હું પ્રસન્‍ન થઈશ અને એથી મારો મહિમા થશે. “તમે વિપુલ પાકની આશા રાખી, પણ તે થોડો જ થયો. તમે તે અનાજ ઘેર લાવ્યા તો મેં તેને ફૂંક મારી ઉડાવી દીધું. એનું કારણ શું? એનું કારણ એ કે મારું મંદિર ભંગાર હાલતમાં પડયું છે, ત્યારે તમે પોતપોતાના ઘરના ક્મક્જમાં વ્યસ્ત છો. તેને લીધે આકાશમાંથી વરસાદ વરસતો નથી ને ધરતીમાંથી કંઈ પાકતું નથી. મેં ભૂમિ પર, પર્વતો પર, ખેતરો પર, દ્રાક્ષ અને ઓલિવની વાડીઓ પર, ભૂમિની સઘળી નીપજ પર માણસો અને પશુઓ પર અને ખેતીવાડીની તમારી સઘળી મહેનતમજૂરી પર દુકાળ મોકલ્યો છે.” ત્યારે ઝરુબ્બાબેલ, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ તથા બેબિલોનના દેશનિકાલીમાંથી પાછા ફરેલા સર્વ લોકો તેમના ઈશ્વર પ્રભુના આદેશને તથા સંદેશવાહક હાગ્ગાયના સંદેશને આધીન થયા. તેઓ પ્રભુનો ડર રાખવા લાગ્યા. પછી હાગ્ગાયે લોકોને પ્રભુનો સંદેશો જણાવ્યો: “મારું વચન છે કે હું તમારી સાથે રહીશ.” પ્રભુએ યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ તથા દેશનિકાલીમાંથી પાછા ફરેલા સર્વ લોકોના મનમાં મંદિર બાંધવાની પ્રેરણા કરી. તેથી સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની ચોવીસમી તારીખે લોકોએ પ્રભુના મંદિરનું બાંધક્મ શરૂ કર્યું. એ જ વર્ષે સાતમા માસની એકવીસમી તારીખે પ્રભુએ ફરીથી હાગ્ગાય સંદેશવાહક દ્વારા સંદેશો મોકલ્યો. પ્રભુએ હાગ્ગાયને યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલને, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆને તેમજ સર્વ લોકોને આમ કહેવા જણાવ્યું: “આ મંદિરનો અગાઉનો વૈભવ જોયો હોય એવો કોઈ તમારામાં હજી હયાત છે? અત્યારે તે તમને કેવું લાગે છે? એ તમને મામૂલી નથી લાગતું? તેમ છતાં હે ઝરુબ્બાબેલ, તું હિંમતવાન થા. હે પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ, તું પણ હિંમતવાન થા. હે દેશના સઘળા લોકો, તમે પણ હિંમત રાખો. ક્મે લાગી જાઓ, કારણ, હું સર્વસમર્થ પ્રભુ તમારી સાથે છું. તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે જ મેં તમને વચન આપ્યું હતું કે હું સદા તમારી સાથે રહીશ; માટે ગભરાશો નહિ. “થોડા જ સમયમાં હું ફરીથી આકાશ તથા પૃથ્વી અને કોરી ભૂમિ તથા સમુદ્રને ધ્રૂજાવીશ. હું સર્વ પ્રજાઓને ઉથલાવી પાડીશ. તેમનો સઘળો ખજાનો અહીં લાવવામાં આવશે અને મંદિર વૈભવથી ભરાઈ જશે. જગતભરનું સોનુંરૂપું મારું જ છે. ત્યારે નવું મંદિર જૂના કરતાં વિશેષ વૈભવી થશે, અને હું મારા લોકને સમૃદ્ધિ અને શાંતિ બક્ષીસ.” સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે. સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના નવમા મહિનાની ચોવીસમી તારીખે સર્વસમર્થ પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક સાથે ફરીથી વાત કરી. તેમણે કહ્યું, “તું યજ્ઞકારોને આ પ્રશ્ર્ન પર તેમનો નિર્ણય જણાવવા પૂછ: જો કોઈ માણસ પોતાના વસ્ત્રની ચાળમાં અર્પિત માંસ લે, અને પછી એ વસ્ત્રને રોટલી, શાક, દ્રાક્ષાસવ, તેલ કે બીજો કોઈ ખાદ્ય પદાર્થ સ્પર્શે તો એ ખાદ્યપદાર્થ પવિત્ર બની જાય ખરો?” યજ્ઞકારોએ જવાબ આપ્યો, “ના.” પછી હાગ્ગાયે પૂછયું, “કોઈ માણસ શબના સ્પર્શથી અશુદ્ધ થાય અને પછી પેલા ખાદ્યપદાર્થોને અડકે તો તે પદાર્થો અશુદ્ધ બની જાય ખરા?” યજ્ઞકારોએ જવાબ આપ્યો. “હા.” ત્યારે હાગ્ગાયે કહ્યું, “પ્રભુ કહે છે: આ પ્રજા એ જ રીતે અશુદ્ધ છે. તેમની મહેનતમજૂરીથી પેદા થયેલી સઘળી નીપજ અને વેદી પરનાં તેમનાં સર્વ અર્પણ પણ એવાં જ અશુદ્ધ છે.” પ્રભુ કહે છે, “તમે મંદિર બાંધવાનું શરૂ કર્યું તે પહેલાં તમારી કેવી હાલત હતી તેનો વિચાર કરો. તમે અનાજના ઢગલા પાસે બસો કિલોની આશાએ જતા, પણ ત્યાંથી તમને સો કિલો જ અનાજ મળતું; તમે દ્રાક્ષાકુંડ પાસે સો લિટર દ્રાક્ષાસવ લેવા જતા, પણ તમને ફક્ત ચાલીસ લિટર જ મળતો. તમારી ઊપજનો નાશ કરવા મેં લૂ તથા કરા મોકલ્યા હતા. છતાં તમે મારી તરફ પાછા ફર્યા નહિ. આજે નવમા માસની ચોવીસમી તારીખે મંદિરનો પાયો નંખાયો છે. તો હવેથી શું શું થશે તેનો વિચાર કરજો. વખારમાં અનાજ નથી; વાવવાનાં બી જેટલું પણ નહિ. દ્રાક્ષવેલા, અંજીરીઓ, દાડમડીઓ અને ઓલિવ વૃક્ષોને હજી ફળ આવ્યાં નથી. તોપણ આજથી હું તમને આશિષ આપીશ.” તે જ મહિનાની ચોવીસમી તારીખે પ્રભુએ હાગ્ગાયને બીજો સંદેશો આપ્યો. તે સંદેશો યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ માટે હતો: “હું આકાશ તથા પૃથ્વીને ધ્રૂજાવીશ. હું રાજ્યોને ઉથલાવી પાડીશ અને તેમની સત્તાનો અંત લાવીશ. હું રથો અને તેમના સારથિઓને ઉથલાવી પાડીશ. ઘોડા મૃત્યુ પામશે અને ઘોડેસવારો એકબીજાની ક્તલ કરશે. હે મારા સેવક ઝરુબ્બાબેલ, તે દિવસે હું તને મારે નામે રાજ્ય કરવા નીમીશ. મેં તને પસંદ કર્યો છે.” સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે. ઇરાનના સમ્રાટ દાર્યાવેશના રાજ્યકાળના બીજા વર્ષના આઠમા માસમાં ઇદ્દોના પુત્ર બેરેખ્યાના પુત્ર ઝખાર્યા સંદેશવાહકને પ્રભુએ આ સંદેશ આપ્યો. સર્વસમર્થ પ્રભુએ લોકોને આવું કહેવા ઝખાર્યાને જણાવ્યું, “હું પ્રભુ, તમારા પૂર્વજો પર ખુબ કોપાયમાન થયો હતો, પણ હવે હું તમને કહું છું, ‘મારી તરફ પાછા ફરો, એટલે હું તમારી તરફ ફરીશ. તમારા પૂર્વજો જેવા ન બનો. વર્ષો પૂર્વે સંદેશવાહકોએ તેમને દુષ્ટ જીવન ન ગાળવા અને પોતાનાં પાપનો ત્યાગ કરવાનો સંદેશ આપ્યો. પણ તેમણે મારું સાંભળ્યું નહિ કે મને આધીન થયા નહિ. તમારા પૂર્વજો અને એ સંદેશવાહકો તો અત્યારે નથી. મારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા મેં તમારા પૂર્વજોને આજ્ઞાઓ અને ચેતવણીઓ આપી, પણ તેમણે તેમનો અનાદર કર્યો અને તેનાં માઠાં પરિણામ ભોગવ્યાં. પછી તેમણે પશ્ર્વાત્તાપ કર્યો અને એકરાર કર્યો કે મેં સર્વસમર્થ પ્રભુએ તેમને યથાયોગ્ય અને નિયત શિક્ષા કરી હતી.” સમ્રાટ દાર્યાવેશના બીજા વર્ષમાં અગિયારમા એટલે શબાટ માસની ચોવીસમે તારીખે, પ્રભુએ મને રાતના સંદર્શનમાં એક સંદેશ આપ્યો. પ્રભુના એક દૂતને મેં લાલ ઘોડા પર સવાર થયેલો જોયો. તે ખીણમાંના કેટલાંક મેંદીનાં વૃક્ષો મધ્યે રોક્યો હતો, અને તેની પાછળ બીજા ઘોડા પણ હતા - લાલ, કાબરચીતરા અને સફેદ. મેં પૂછયું, “મહાશય, આ ઘોડાઓનો શો અર્થ છે?” તેણે જવાબ આપ્યો, “તેનો શો અર્થ થાય છે તે હું તને બતાવીશ.” પછી મેંદીનાં વૃક્ષો મધ્યે ઊભેલા માણસે કહ્યું, “પ્રભુએ તેમને પૃથ્વી પર જઈને તેનું નિરીક્ષણ કરવા મોકલ્યા છે.” તેમણે મેંદીનાં વૃક્ષોની મધ્યે ઊભેલા દૂતને અહેવાલ આપ્યો: “અમે આખી દુનિયામાં ફરી વળ્યા છીએ અને જોયું છે કે આખી દુનિયા નિ:સહાય અને તાબે થયેલી છે.” પછી દૂતે કહ્યું, “સર્વસમર્થ પ્રભુ, તમે આ સત્તર વર્ષથી યરુશાલેમ અને યહૂદિયાનાં નગરો પર કોપાયમાન થયા છો. તેમના પર દયા દર્શાવવાને હજી કેટલો સમય લાગશે?” પ્રભુએ દૂતને સાંત્વનભર્યા શબ્દોમાં જવાબ આપ્યો, અને સર્વસમર્થ પ્રભુએ કહ્યું હતું તે જણાવવા દૂતે મને કહ્યું: “યરુશાલેમ, મારા પવિત્ર નગર માટે મારા દિલમાં ઊંડો પ્રેમ અને ચિંતા છે, અને સુખચેન તથા શાંતિ ભોગવતી પ્રજાઓ પર હું કોપાયમાન થયો છું; કારણ, જ્યારે હું મારા લોક પરથી મારો રોષ અટકાવી રહ્યો હતો, ત્યારે તેમણે મારા લોકને દારુણ દુ:ખ દીધું. તેથી યરુશાલેમ શહેર પર હું તે દયા દર્શાવવા આવ્યો છું; મારા મંદિરનો પુનરોદ્ધાર થશે અને શહેર ફરીથી બંધાશે.” દૂતે મને જાહેરાત કરવા જણાવ્યું, “સર્વસમર્થ પ્રભુ કહે છે કે તેમનાં નગરો ફરીથી આબાદ થશે અને પોતે યરુશાલેમને સહાય કરીને પોતાના શહેર તરીકે તેનો દાવો કરશે.” બીજા એક સંદર્શનમાં મેં ચાર શિંગડાં જોયાં. મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “આ શિંગડાંનો શો અર્થ થાય છે?” તેણે ઉત્તર આપ્યો, “એ તો યહૂદિયા, ઇઝરાયલ અને યરુશાલેમને વિખેરી નાખનાર દુનિયાની મહાસત્તાઓ સૂચવે છે.” પછી પ્રભુએ મને હથોડા સહિતના ચાર કારીગરો બતાવ્યા. મેં પૂછયું, “આ લોકો શું કરવા આવ્યા છે?” તેમણે જવાબ આપ્યો, “તેઓ તો યહૂદિયાના પ્રદેશને કચડી નાખનાર અને તેના લોકોને વિખેરી નાખનાર પ્રજાઓને ગભરાવી દેવા અને તેમને ઉથલાવી પાડવા આવ્યા છે. બીજા એક સંદર્શનમાં મેં એક માણસને હાથમાં માપદોરી લઈ ઊભેલો જોયો. મેં પૂછયું, “તું ક્યાં જાય છે?” તેણે જવાબ આપ્યો, “યરુશાલેમની લંબાઈ અને પહોળાઈ કેટલી છે તે જાણવા તેનું માપ લેવા જઉં છું.” પછી મારી સાથે વાત કરનાર દૂતને મેં એક કદમ આગળ વધેલો જોયો. અને બીજો એક દૂત તેને મળવા આવ્યો. પહેલા દૂતે બીજાને કહ્યું, “જા, દોડ, પેલા માપદોરીવાળા યુવાનને કહે કે યરુશાલેમમાં એટલા બધા લોકો, અને ઢોરઢાંક થવાનાં છે કે તેનો કોટ રાખી ન શકાય એટલું મોટું તે બનવાનું છે. પ્રભુએ વચન આપ્યું છે કે તે પોતે શહેરની ફરતે અગ્નિકોટ બનીને તેનું રક્ષણ કરશે અને તે પોતાના પૂરા મહિમામાં ત્યાં રહેશે.” પ્રભુએ પોતાના લોકોને કહ્યું, “મેં તમને સર્વ દિશામાં વિખેરી નાખ્યા. પણ હવે તમે બેબિલોનથી નાસી છૂટો અને યરુશાલેમ પાછા ફરો. *** કારણ, જે તમારા પર પ્રહાર કરે છે તે જાણે મારી આંખની કીકી પર પ્રહાર કરે છે.” તેથી સર્વસમર્થ પ્રભુએ તેમના લોકોને કચડી નાખનાર પ્રજાઓ પાસે મને આ સંદેશો લઈને મોકલ્યો; “પ્રભુ પોતે તમારી વિરુદ્ધ યુદ્ધ કરશે, અને એકવાર જેઓ તમારા નોકર હતા તેઓ તેમને લૂંટી લેશે.” એવું બને ત્યારે સૌ કોઈ જાણશે કે પ્રભુએ મને મોકલ્યો છે. પ્રભુએ કહ્યું, “હે યરુશાલેમવાસીઓ, આનંદથી ગાયન કરો! હું તમારી મધ્યે વસવા આવું છું!” તે સમયે ઘણી પ્રજાઓ પ્રભુ પાસે આવશે અને તેમના લોક બનશે. તે તમારી મધ્યે વસશે અને તમે જાણશો કે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે. ફરી એકવાર યહૂદિયા પ્રભુના પવિત્ર દેશમાંનો તેમનો ખાસ વારસો બનશે અને યરુશાલેમ તેમનું સૌથી પ્રિય શહેર બનશે. પ્રભુની સમક્ષતામાં સૌ શાંત થઈ જાઓ; કારણ, તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી પ્રવૃત્ત થયા છે. ત્યાર પછી એક બીજા સંદર્શનમાં પ્રભુએ મને પ્રભુના દૂત સમક્ષ પ્રમુખ યજ્ઞકાર યહોશુઆને ઊભો રહેલો દેખાડયો અને ત્યાં યહોશુઆની પાસે તેના પર દોષ મૂકવા માટે શેતાન ઊભો હતો. પ્રભુના દૂતે શેતાનને કહ્યું, “હે શેતાન, પ્રભુ તને ઠપકો આપો. યરુશાલેમને ચાહનાર પ્રભુ તને ધમકાવો. આ માણસ તો અગ્નિમાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવો છે.” યહોશુઆ ગંદાં વસ્ત્રો પહેરીને ઊભો હતો. દૂતે પોતાના સ્વર્ગીય સેવકોને કહ્યું, “આ માણસે પહેરેલાં ગંદાં વસ્ત્ર ઉતારી લો.” પછી તેણે યહોશુઆને કહ્યું, “મેં તારું પાપ દૂર કર્યું છે અને હું તને પહેરવા માટે નવાં વસ્ત્ર આપીશ.” *** તેણે સેવકોને યહોશુઆના માથા ઉપર સ્વચ્છ પાઘડી મૂકવા જણાવ્યું. તેથી તેમણે તેને પાઘડી પહેરાવી, અને પ્રભુનો દૂત ત્યાં ઊભો હતો તેવામાં તેમણે તેને નવાં વસ્ત્ર પણ પહેરાવ્યાં. સર્વસમર્થ પ્રભુએ આમ કહ્યું છે: “જો તમે મારા નિયમો પાળો અને તમને મેં સોંપેલી ફરજ અદા કરો તો મારું મંદિર તમારા હસ્તક રહેશે અને જેમ મારી તહેનાતમાં રહેનાર દૂતોની પ્રાર્થનાઓ હું સાંભળું છું, *** તેમ હું તમારી પ્રાર્થનાઓ સાંભળીશ. તેથી હે પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ, મારું સાંભળ! હે તેના સાથી યજ્ઞકારો, તમે પણ તેનું સાંભળો! તમે તો સારા ભાવિની નિશાનીરૂપ છો: અંકુર તરીકે ઓળખાતા મારા સેવકને હું પસંદ કરીશ. હું યહોશુઆની સમક્ષ સાત પાસાવાળો એક પથ્થર મૂકું છું. હું તેના પર એક લેખ કોતરીશ અને એક જ દિવસમાં હું આ દેશનો અપરાધ દૂર કરીશ. તે દિવસ આવે ત્યારે તમારામાંનો પ્રત્યેક માણસ પોતાની દ્રાક્ષવાડીઓ અને અંજીરોથી મળેલ શાંતિ અને સલામતીનો ઉપભોગ કરવા પોતાના પડોશીને બોલાવશે.” મારી સાથે વાત કરનાર દૂતે મારી પાસે ફરી આવીને હું જાણે નિદ્રામાં પડયો હોઉં તેમ મને જગાડયો. તેણે પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું એક સુવર્ણ દીવી જોઉં છું. તેની ટોચે તેલ માટે પ્યાલો છે. દીવી પર સાત દીવા છે અને સાતેય દીવા પર દિવેટો મૂકવાના સાત સાત ખાંચા છે. દીવી પાસે તેની બન્‍ને બાજુએ એક એક એમ બે ઓલિવ વૃક્ષો છે.” પછી મેં દૂતને પૂછયું, “મહાશય, આ બધાં શો અર્થ સૂચવે છે?” તેણે મને પૂછયું, “તને ખબર નથી?” મેં જવાબ આપ્યો, “ના, મહાશય.” દૂતે પ્રભુ તરફથી ઝરુબ્બાબેલને જણાવવા મને આ સંદેશો આપ્યો: “તું લશ્કરી તાક્તથી નહિ, તારા પોતાના બળથી નહિ, પણ મારા આત્માથી સફળતા હાંસલ કરશે. મોટા પર્વતોના જેવા અવરોધો તારી સમક્ષ સપાટ મેદાન જેવા સીધા બની જશે. તું મંદિરના પુન:બાંધક્મનો આરંભ કરશે, અને તું તેનો છેલ્લો પથ્થર પણ મૂકશે અને ત્યારે લોકો, ‘સુંદર!’ એવો પોકાર કરશે.” પ્રભુ તરફથી મારી પાસે બીજો એક સંદેશો આવ્યો, તેમણે કહ્યું, “ઝરુબ્બાબેલે મંદિરનો પાયો નાખ્યો છે અને તેને જ હાથે બાંધક્મ પૂર્ણ થશે. એવું બને ત્યારે મારા લોકો જાણશે કે મેં તને મોકલ્યો છે. ક્મની પ્રગતિ ખૂબ જ ધીમી હોઈ તેઓ નિરાશ થઈ ગયા છે. પણ ઝરુબ્બાબેલને મંદિરનું બાંધક્મ ચાલુ રાખતો જોઈને તેઓ હર્ષ પામશે.” દૂતે મને કહ્યું, “સાત દીવા તો આખી પૃથ્વીનું નિરીક્ષણ કરનારી પ્રભુની સાત આંખો છે.” પછી મેં તેને પૂછયું, “દીવીની બન્‍ને બાજુએ આ જે બે ઓલિવવૃક્ષો છે તેમનો શો અર્થ છે? વળી, સોનાની બે નળીઓ જેમાંથી ઓલિવ તેલ રેડાય છે તેની બાજુનાં બે ઓલિવ વૃક્ષની ડાળીઓ શું સૂચવે છે?” તેણે મને પૂછયું. “તને ખબર નથી?” મેં જવાબ આપ્યો, “ના, મહાશય.” તેથી તેણે કહ્યું, “એ તો આખી પૃથ્વીના પ્રભુએ તેમની સેવાને માટે પસંદ કરી અભિષિક્ત કરેલા બે માણસો છે.” મેં ફરીથી નજર કરી તો આ વખતે મેં આકાશમાં ઊડતું ઓળિયું જોયું. દૂતે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું આકાશમાં ઊડતું ઓળિયું જોઉં છું; તે 9 મીટર લાંબું અને 4.5 મીટર પહોળું છે.” પછી તેણે મને કહ્યું, “તેમાં તો સમસ્ત દેશ પર ઊતરનાર શાપ લખેલો છે. ઓળિયાની એક બાજુએ એવું લખ્યું છે કે દેશમાંથી પ્રત્યેક ચોરને હાંકી કાઢવામાં આવશે, જ્યારે તેની બીજી બાજુએ એવું લખ્યું છે કે સોગન ખાઈને જૂઠું બોલનાર પ્રત્યેકને દૂર કરાશે. સર્વસમર્થ પ્રભુ કહે છે કે તે શાપ મોકલી દેશે અને પ્રત્યેક ચોર અને પ્રત્યેક સોગંદ ખાઈને જૂઠું બોલનાર વ્યક્તિના ઘરમાં તે પ્રવેશશે. તે તેમનાં ઘરોમાં જ રહેશે અને તેમને ખેદાનમેદાન કરી નાખશે.” દૂતે ફરીથી દર્શન દઈને કહ્યું, “જો, કંઈક આવી રહ્યું છે!” મેં પૂછયું, “એ શું છે?” તેણે જવાબ આપ્યો, “એ તો એક ટોપલો છે. અને તે તો સમગ્ર દેશનાં પાપનું સૂચન કરે છે.” ટોપલા પર સીસાનું ઢાંકણ હતું. હું જોઈ રહ્યો હતો એવામાં ઢાંકણ ઊંચકાયું, અને ટોપલામાં તો એક સ્ત્રી બેઠેલી હતી! દૂતે કહ્યું, “આ સ્ત્રી તો દુષ્ટતાનું પ્રતીક છે.” પછી તેણે તેને પાછી ટોપલામાં દબાવી દઈ ઢાંકણથી પાછી ઢાંકી દીધી. પછી મેં ઊંચે નજર કરી તો સારસનાં જેવી શક્તિશાળી પાંખોવાળી બે સ્ત્રીઓને ઊડીને મારા તરફ આવતી જોઈ. તેઓ પેલો ટોપલો ઉપાડી ઊડી ગઈ. મેં દૂતને પૂછયું. “તેઓ તેને ક્યાં લઈ જાય છે?” તેણે જવાબ આપ્યો, “બેબિલોન લઈ જાય છે. ત્યાં તેઓ તેને માટે મંદિર બાંધશે. મંદિર પૂરું થતાં ટોપલો મંદિરમાં પૂજા માટે મુકાશે.” મને એક બીજુ સંદર્શન થયું. આ વખતે મેં તાંબાના બે પર્વતો વચ્ચેથી નીકળી આવતા ચાર રથ જોયા. પહેલા રથને ખેંચનાર ઘોડાઓ લાલ, બીજાને ખેંચનાર ઘોડાઓ કાળા, ત્રીજાને ખેંચનાર ઘોડા શ્વેત અને ચોથા રથને ખેંચનાર ઘોડાઓ કાબરચીતરા હતા. પછી મેં દૂતને પૂછયું, “મુરબ્બી, આ રથોનો શો અર્થ છે?” તેણે જવાબ આપ્યો, “આ તો ચાર વાયુ છે; તેઓ હમણા જ આખી પૃથ્વીના પ્રભુની સમક્ષતામાંથી આવ્યા છે.” કાળા ઘોડાઓએ જોડેલો રથ ઉત્તરમાં બેબિલોન તરફ જતો હતો; શ્વેત ઘોડાઓ પશ્ર્વિમ તરફ અને કાબરચીતરા ઘોડાઓ દક્ષિણમાં આવેલા દેશ તરફ જતા હતા. કાબરચીતરા ઘોડા તો જેવા બહાર આવ્યા કે તેઓ પૃથ્વીનું નિરીક્ષણ કરવા જવા અધીરા બની ગયા. દૂત બોલ્યો, “જાઓ, જઈને પૃથ્વીનું નિરીક્ષણ કરો.” પછી દૂતે મને બૂમ પાડીને કહ્યું, “બેબિલોન તરફ ગયેલા ઘોડાઓએ પ્રભુનો રોષ શમાવી દીધો છે.” તેમણે કહ્યુ, “દેશનિકાલીમાંથી આવેલા હેલ્દાય, ટોલિયા અને યદાયાએ આપેલી ભેટો લઈને સત્વરે સફાન્યાના પુત્ર યોશિયાને ઘેર જા. તેઓ સૌ બેબિલોનના બંદીવાસમાંથી પાછા ફર્યા છે. *** તેમણે આપેલા સોનારૂપામાંથી મુગટ બનાવીને યહોસાદાકના પુત્ર, પ્રમુખ યજ્ઞકાર યહોશુઆને માથે મૂક. તેને કહે કે સર્વસમર્થ પ્રભુ આમ જણાવે છે: “અંકુર તરીકે ઓળખાતો પુરુષ તેના સ્થાનમાં આબાદ થશે અને તે પ્રભુનું મંદિર ફરીથી બાંધશે. તે જ તેને બાંધશે અને રાજાને છાજતું માન તેને મળશે અને તે પોતાના લોકો ઉપર રાજ કરશે. તેના રાજ્યાસનની પડખે યજ્ઞકાર ઊભો રહેશે અને તેઓ બન્‍ને શાંતિ અને સહકારથી ક્મ કરશે. હેલ્દાય, ટોલિયા, યદાયા અને સફાન્યાના પુત્ર યોશિયાના માનમાં એ મુગટ પ્રભુના મદિરમાં સ્મારક બની રહેશે.” દૂરદૂર વસતા લોકો આવીને પ્રભુનું મંદિર બાંધશે. જ્યારે તે બંધાઈ જાય ત્યારે તમે જાણશો કે પ્રભુએ મને મોકલ્યો છે. તમે તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાઓ સંપૂર્ણપણે પાળશો તો એ બધું પરિપૂર્ણ થશે. સમ્રાટ દાર્યાવેશના ચોથા વર્ષમાં, નવમા એટલે કિસ્લેવ માસના ચોથા દિવસે પ્રભુએ મને સંદેશ આપ્યો. બેથેલના લોકોએ શારેસર, રેગેમ-મેલેખ અને તેમના માણસોને પ્રભુની આશિષ માટે પ્રાર્થના કરવા માટે પ્રભુના મંદિરમાં મોકલ્યા. તેમણે યજ્ઞકારો અને સંદેશવાહકોને આ પ્રશ્ર્ન પણ પૂછવાનો હતો. “અમે ઘણાં વર્ષોથી આ પાંચમા માસમાં મંદિરના નાશ નિમિત્તે ઉપવાસ સહિત શોક કરતા આવ્યા છીએ; અમે તે ચાલુ રાખીએ?” તેમણે કહ્યું, “દેશના લોકોને અને યજ્ઞકારોને જણાવ કે આ સિત્તેર વર્ષો સુધી પાંચમા અને સાતમા માસમાં તમે ઉપવાસ સહિત કરેલો શોક મારા માનાર્થે નહોતો. *** વળી, તેમણે ખાધું પીધું તો તે તેમની તૃપ્તિ માટે કર્યું હતું.” યરુશાલેમ સમૃદ્ધ અને વસ્તીવાળું હતું અને જ્યારે માત્ર આજુબાજુનાં પરાંમાં જ નહિ, પણ શહેરના દક્ષિણ ભાગમાં અને પશ્ર્વિમની તળેટીઓમાં ઘણા લોકો વસતા હતા ત્યારે તે વખતના સંદેશવાહકો દ્વારા પણ પ્રભુએ એ જ કહ્યું હતું. પ્રભુએ ઝખાર્યાને આ સંદેશો આપ્યો: “વર્ષો પૂર્વે મેં મારા લોકોને આવી આજ્ઞાઓ આપી હતી: ‘બરાબર ન્યાય થાય તેની ચોક્સાઈ રાખો. એકબીજા પ્રત્યે મમતા અને દયા દાખવો. વિધવાઓ, અનાથો, તમારી મધ્યે વસતા પરદેશીઓ અથવા તંગીમાં હોય એવા કોઈના ઉપર જુલમ ન ગુજારો. એકબીજાને નુક્સાન કરવાની પેરવી ન કરો.’ “પણ મારા લોકોએ અકડાઈ કરી સાંભળ્યું નહિ. તેમણે તેમનાં મન બંધ કરી દીધાં. અને તેમનાં હૃદયો ખડક જેવાં કઠણ કર્યાં. પ્રાચીન સંદેશવાહકો દ્વારા અપાયેલ મારા શિક્ષણ પર તેમણે લક્ષ ન આપ્યું તેથી હું તેમના પર ખૂબ રોષે ભરાયો. તેમણે મારી વાણી સાંભળી નહિ, તેથી મેં પણ તેમની પ્રાર્થના સાંભળી નહિ. એક ઝંઝાવાતની જેમ મેં તેમને વિદેશોમાં વસવા મોકલી દીધા અને આ ફળદ્રુપ દેશ ઉજ્જડ અને નિર્જન પડયો રહ્યો. સર્વસમર્થ પ્રભુએ ઝખાર્યાને આ સંદેશ આપ્યો: “યરુશાલેમના લોકો પરનો મારો અત્યંત પ્રેમ, જે પ્રેમે મને તેના શત્રુઓ પર કોપાયમાન બનાવ્યો છે તેને લીધે હું તેને મદદ કરવા ઝંખું છું. મારા પવિત્ર શહેર યરુશાલેમમાં હું પાછો ફરીશ અને ત્યાં જ વસીશ. તે તો વિશ્વાસુ નગર તરીકે ગણાશે અને સર્વસમર્થ પ્રભુનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે. લાકડીને ટેકે ચાલનારા વયોવૃદ્ધ સ્ત્રીપુરુષો ફરીથી નગરના ચોકમાં બેસશે. અને શેરીઓ ફરીવાર રમતાં-કૂદતાં છોકરાંથી ઊભરાશે. “દેશના બાકી રહેલા લોકો માટે તો એ અશક્ય લાગે પણ મારે માટે એ અશક્ય નથી. મારા લોકોને જે જે દેશોમાં લઈ જવામાં આવ્યા છે ત્યાંથી હું તેમને છોડાવી લાવીશ. હું તેમને પૂર્વથી અને પશ્ર્વિમથી પાછા લાવીને યરુશાલેમમાં વસાવીશ. તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ અને તેમના પર વિશ્વાસુપણે અને ન્યાયપૂર્વક રાજ કરીશ. “હિંમતવાન થાઓ! મારા મંદિરને ફરી બાંધવા માટે પાયો નાખવામાં આવ્યો ત્યારે સંદેશવાહકો જે શબ્દો બોલ્યા હતા તે જ શબ્દો તમે અત્યારે સાંભળો છો. તે વખતે તો માણસ કે પશુને ક્મ માટે ભાડે રાખવાની કોઈની તાક્ત નહોતી કે પોતાના શત્રુઓથી કોઈ સલામત નહોતું. મેં લોકોને એકબીજાની વિરુદ્ધ કરી દીધા હતા. પણ હવે તો દેશના બચી ગયેલા લોકો પ્રત્યેનું મારું વર્તન અલગ પ્રકારનું છે. તેઓ શાંતિમાં પાકની વાવણી કરશે. તેમના દ્રાક્ષવેલાને દ્રાક્ષો થશે. ધરતીમાંથી અનાજ પાકશે અને વરસાદ પણ પુષ્કળ પડશે; બચી ગયેલા લોકોને હું આ બધા આશીર્વાદો આપીશ. હે યહૂદિયા અને ઇઝરાયલના લોકો, ભૂતકાળમાં વિદેશીઓ એકબીજાને આ રીતે શાપ આપતા, ‘યહૂદિયા અને ઇઝરાયલ પર ઊતરી એવી જ આફત તારા પર ઊતરો!’ પણ હું તમને બચાવી લઈશ, અને ત્યારે વિદેશીઓ એકબીજાને કહેશે, ‘તારા પર યહૂદિયા અને ઇઝરાયલના જેવી આશિષ ઊતરો!’ તેથી હિંમત પકડો, અને ગભરાઓ નહિ.” સર્વસમર્થ પ્રભુ કહે છે, “તમારા પૂર્વજો મને કોપાયમાન કરતા ત્યારે હું તેમના પર જે આપત્તિ લાવવાનું વિચારતો તે વિષે મારું મન બદલતો નહિ, પણ એ આપત્તિ લાવતો. પણ હવે તો યરુશાલેમ અને યહૂદિયાના લોકોને આશિષ આપવાની મારી યોજના છે. તેથી ગભરાશો નહિ. તમારે આ બાબતો કરવાની છે: એકબીજા સાથે સત્ય બોલો. નગરપંચમાં શાંતિજન્ય અદલ ન્યાય આપો. એકબીજાને નુક્સાન પહોંચાડવાની યોજના ઘડશો નહિ. સોગંદ ખાઈને જૂઠી સાક્ષી પૂરશો નહિ. જૂઠ, અન્યાય અને હિંસાને હું ધિક્કારું છું.” સર્વસમર્થ પ્રભુએ ઝખાર્યાને આ સંદેશ આપ્યો: “ચોથા, પાંચમા, સાતમા અને દસમા મહિનાઓમાં કરવામાં આવતા ઉપવાસો યહૂદિયાના લોકો માટે આનંદ અને ઉલ્લાસનાં પર્વો બની રહેશે. શાંતિ અને સત્ય પર પ્રેમ કરો.” સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો સમય આવે છે જ્યારે ઘણા નગરોમાંથી લોકો યરુશાલેમ આવશે. એક નગરના માણસો બીજા નગરના માણસોને કહેશે, ‘અમે તો સર્વસમર્થ પ્રભુનું ભજન કરવા અને આશિષ માટે તેમને પ્રાર્થના કરવા જઈએ છીએ. અમારી સાથે ચાલો!’ ઘણી પ્રજાઓ અને મહાસત્તાઓ સર્વસમર્થ પ્રભુનું ભજન કરવા અને આશિષ માટે તેમની પ્રાર્થના કરવા યરુશાલેમ આવશે. એ દિવસોમાં દસ વિદેશીઓ એક યહૂદી પાસે આવીને તેના ઝભ્ભાની કોરને પકડીને કહેશે, ‘અમે તારા ભાવિમાં ભાગીદાર થવા માગીએ છીએ. કારણ, અમે સાંભળ્યું છે કે પ્રભુ તમારી સાથે છે.” આ પ્રભુનો સંદેશ છે: તેમણે હાદ્રાખના દેશ માટે અને દમાસ્ક્સ શહેર માટે શિક્ષાનો આદેશ બહાર પાડયો છે. માત્ર ઇઝરાયલના કુળપ્રદેશો જ નહિ પણ સિરિયાની રાજધાની પણ પ્રભુની છે. હાદ્રાખની સરહદ પરનું હમાથ પણ તેમનું છે. એ જ રીતે તૂર અને સિદોનનાં શહેરો તેમની સઘળી કારીગરી સહિત પ્રભુનાં છે. તૂરે પોતાની કિલ્લેબંધી કરી છે અને સોનારૂપાનો એટલો સંગ્રહ કર્યો છે કે તે ધૂળ સમાન થઈ પડયું છે! પણ પ્રભુ તેનું સઘળું લઈ લેશે. તે તેની સંપત્તિને સમુદ્રમાં ફેંકી દેશે, અને શહેરને બાળીને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. એ જોઈને આશ્કલોન શહેર પણ ભયભીત થશે. એ જોઈને ગાઝા નગર અત્યંત દુ:ખી થશે. એક્રોનની પણ એ જ દશા થશે અને તેની આશાનો ભાંગીને ભુકો થઈ જશે. ગાઝા પોતાનો રાજા ગુમાવશે અને આશ્કલોનનો ત્યાગ કરાશે. આશ્દોદમાં મિશ્ર જાતિના લોકો વસશે. પ્રભુ કહે છે, “આ બધા ઘમંડી પલિસ્તીઓને હું નીચા નમાવીશ. તે પછી તેઓ રક્તમિશ્રિત માંસ કે અન્ય મના કરેલો ખોરાક ખાશે નહિ. બચી ગયેલા સૌ કોઈ મારા લોકના ભાગરૂપ અને જાણે યહૂદિયાના કુળના કોઈ ગોત્રના હોય એવા બની જશે. યબૂસીઓની માફક એક્રોન પણ મારા લોકનો ભાગ બની રહેશે. હું મારા દેશનું રક્ષણ કરીશ અને તેમાં થઈને બહારનાં સૈન્યોને પસાર થવા દઈશ નહિ. હું જુલમીઓને મારા લોક પર ત્રાસ વરસાવા દઈશ નહિ. મારા લોક પર વીતેલાં દુ:ખ મેં જોયાં છે.” હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે. પ્રભુ કહે છે, “હું ઇઝરાયલમાંથી યુદ્ધ માટેના રથો દૂર કરીશ અને યરુશાલેમમાંથી ઘોડા હટાવી દઈશ; લડાઈમાં વપરાતાં ધનુષ્યો ભાંગી નાખવામાં આવશે. તમારો રાજા પ્રજાઓ મધ્યે શાંતિ સ્થાપશે. એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી યુફ્રેટિસ નદીથી પૃથ્વીના છેડાઓ સુધી તે રાજ કરશે.” પ્રભુ કહે છે, “બલિદાનના રક્તથી મુદ્રિત કરેલા તમારી સાથેના મારા કરારને લીધે હું તમને, મારા લોકને, દેશનિકાલીના નિર્જળ ખાડામાંથી મુક્ત કરીશ. હે દેશનિકાલ પામેલા લોકો, તમારે માટે હવે આશા છે, તમારી સલામતીની જગ્યાએ પાછા ફરો. હું તમને કહું છું કે, તમારા પર જે વીત્યું છે તેના બદલામાં હું તમને બમણી આશિષ આપીશ. હું યહૂદિયાના સૈનિકનો ધનુષ્યની જેમ અને ઇઝરાયલનો તીરોની જેમ ઉપયોગ કરીશ. ગ્રીસના લોકો સામેની લડાઈમાં હું સિયોનના માણસોનો તલવારની જેમ ઉપયોગ કરીશ. પ્રભુ પોતાના સર્વ લોકો ઉપર પ્રગટ થશે. તે વીજળીની માફક બાણ મારશે. પ્રભુ પરમેશ્વર રણશિંગડું વગાડશે. દક્ષિણના તોફાનમાં તે કૂચ કરશે. સર્વસમર્થ પ્રભુ પોતાના લોકોનું રક્ષણ કરશે. તે તેમના શત્રુઓનો નાશ કરશે. તે પીધેલા માણસોની જેમ યુદ્ધમાં હોંકારા મારશે, અને તેમના શત્રુઓનું રક્ત વહેવડાવશે; પ્યાલામાંથી વેદી પર રેડાતા રક્તની જેમ તેમનું રક્ત વહી નીકળશે. એ દિવસ આવશે ત્યારે જેમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંનું જોખમથી રક્ષણ કરે છે, તેમ પ્રભુ પોતાના લોકોને બચાવશે. પ્રભુના પ્રદેશમાં તેઓ મુગટમાંના હીરાઓની જેમ પ્રકાશશે. તેઓ કેવા ચિત્તાકર્ષક અને સુંદર બનશે! ધાન્ય યુવાનોને અને નવો દ્રાક્ષાસવ યુવતીઓને અલમસ્ત બનાવશે. વર્ષની વસંતઋતુમાં પ્રભુ પાસે વરસાદની માગણી કરો. વરસાદમાં વાદળો અને ઝાપટાં મોકલનાર અને સૌને માટે ખેતરો હરિયાળાં બનાવનાર તો પ્રભુ પોતે છે. લોકો મૂર્તિઓ અને જોશ જોનારા પાસે જાય છે, પણ તેમને મળતા જવાબો તો જૂઠાણાં અને અર્થહીન વાતો છે. કેટલાક સ્વપ્નોનું અર્થઘટન કરે છે, પણ તે માત્ર તમને ગેરમાર્ગે દોરવા માટે જ તેમ કરે છે. તેમનું આશ્વાસન નિરર્થક છે. એમ ખોવાયેલાં ઘેટાંની જેમ લોકો ભટકે છે. તેમનો કોઈ દોરનાર ન હોઈ તેઓ સંકટમાં આવી પડેલા છે. પ્રભુ કહે છે, “મારા લોક પર શાસન ચલાવતા વિદેશીઓ પર હું કોપાયમાન થયો છું. હું તેમને શિક્ષા કરીશ. યહૂદિયાના લોકો મારા છે અને હું સર્વસમર્થ પ્રભુ તેમની સંભાળ લઈશ. તેઓ યુદ્ધ માટેના મારા શક્તિશાળી ઘોડાઓ થશે. મારા લોક પર વહીવટ કરવા માટે તેમનામાંથી જ શાસકો, આગેવાનો, અને અમલદારો ઊભા થશે. યહૂદિયાના લોકો શેરીમાંના ક્દવમાં શત્રુઓને ખૂંદનાર સૈનિક જેવા વિજયવંત થશે. તેઓ લડશે, કેમ કે પ્રભુ તેમની સાથે છે અને તેઓ શત્રુઓના ઘોડેસવારોને પણ હરાવશે. “હું યહૂદિયાના લોકોને બળવાન બનાવીશ, હું ઇઝરાયલના લોકોને છોડાવીશ. હું તેમના પર કરુણા કરીશ અને તેમને તેમના વતનમાં પાછા લાવીશ. મેં તેમનો જાણે ક્યારેય ત્યાગ કર્યો ન હોય તેવા તે બનશે. હું તેમનો ઈશ્વર પ્રભુ છું. હું તેમની પ્રાર્થનાઓનો જવાબ આપીશ.” ઇઝરાયલના લોકો સૈનિક જેવા મજબૂત થશે. તેઓ દ્રાક્ષાસવ પીનારાના જેવા આનંદી થશે. આ વિજયને તેમના વંશજો યાદ કરશે અને પ્રભુના એ કાર્યને લીધે તેઓ આનંદિત બનશે. હું મારા લોકોને બોલાવીને એકત્ર કરીશ. હું તેમને છોડાવીશ અને અગાઉ હતા તેમ તેમને અસંખ્ય બનાવીશ. જો કે મેં તેમને પ્રજાઓ મધ્યે વિખેરી નાખ્યા છે, છતાં દૂર દૂર સ્થાનોમાંથી તેઓ મારું સ્મરણ કરશે. તેઓ અને તેમનાં સંતાન બચી જશે અને સાથે મળીને વતનમાં પાછા ફરશે. હું તેમને ઇજિપ્તમાંથી અને આશ્શૂરમાંથી તેમના વતનમાં પાછા લાવીશ અને તેમને ગિલ્યાદ અને લબાનોનમાં વસાવીશ. આખો દેશ વસ્તીથી ભરપૂર થઈ જશે. તેઓ તેમનો સંકટનો સમુદ્ર ઓળંગતા હોય ત્યારે હું પ્રભુ મોજાંઓ પર પ્રહાર કરીશ અને નાઈલ નદીનાં ઊંડાણ સુકાઈ જશે. ઘમંડી આશ્શૂર નીચો નમાવાશે, અને બળવાન ઇજિપ્ત શક્તિહીન થઇ જશે. હું મારા લોકને બળવાન બનાવીશ; તેઓ મારી ભક્તિ કરશે અને મને આધીન રહેશે.” પ્રભુ પોતે એ બોલ્યા છે. હે લબાનોન, તારાં દ્વાર ખોલ કે અગ્નિ તારાં ગંધતરુઓને બાળીને ભસ્મીભૂત કરી દે! હે દેવદારનાં વૃક્ષો, વિલાપ અને કલ્પાંત કરો; ગંધતરુઓ નષ્ટ થયાં છે. એ ભવ્ય વૃક્ષોનો નાશ થયો છે. હે બાશાનનાં ઓકવૃક્ષો, રડો અને વિલાપ કરો! ગાઢ જંગલ કપાઈ ગયાં છે! રાજ્યર્ક્તાઓ દુ:ખનો પોકાર કરે છે. તેમનો મહિમા ચાલ્યો ગયો છે! સિંહોની ત્રાડ સાંભળો, યર્દનને કાંઠે આવેલાં તેમના વનના વસવાટો નાશ પામ્યા છે! પ્રભુ મારા ઈશ્વરે મને કહ્યું, “ક્તલ થવાનાં ઘેટાંનો પાળક થવાનો વેશ ભજવી બતાવ. તેમના માલિકો તેમને મારી નાખે છે અને છતાં તેમને શિક્ષા થતી નથી. તેઓ તેમનું માંસ વેચે છે અને કહે છે, ‘પ્રભુની સ્તુતિ થાઓ! આપણે ધનવાન છીએ!’ ઘેટાંના પાળકોને તેમના પર કંઈ દયા નથી.” (પ્રભુએ કહ્યું, “હું પૃથ્વી પર કોઈના પર દયા દાખવીશ નહિ. હું પોતે લોકોને તેમના શાસકોની સત્તા નીચે મૂકીશ. આ શાસકો પૃથ્વીને ખેદાનમેદાન કરી નાખશે, અને હું તેને તેમની સત્તાથી બચાવીશ નહિ.” ઘેટાંની લે-વેચ કરનારાઓએ મને ભાડૂતી માણસ તરીકે રાખ્યો અને હું ક્તલ થવાનાં ઘેટાંનો પાળક બન્યો. મેં બે લાકડી લીધી: એકને મેં ‘સદ્ભાવના’ કહી અને બીજીને ‘એક્તા’ કહી. હું ઘેટાંની સંભાળ લેતો. મારો તિરસ્કાર કરનાર ત્રણ ઘેટાંપાળકોના સંબંધમાં મારી ધીરજ ખૂટી ગઈ, અને એક જ માસમાં હું તેમનાથી છૂટો થઈ ગયો. પછી મેં ટોળાને કહ્યું, હવે હું તમારો ઘેટાંપાળક નથી. જે મરવાનાં હોય તે મરે. જેમનો નાશ થવાનો હોય તેમનો થાય. જે બાકી રહેશે તે એકબીજાને મારી નાખશે.” પછી મેં ‘સદ્ભાવના’ નામની લાકડી લીધી અને સર્વ પ્રજાઓ સાથે પ્રભુએ કરેલો કરાર રદ કરવા એને ભાંગી નાખી. તેથી તે દિવસે કરાર રદ થઈ ગયો. ઘેટાંની લેવેચ કરનારાઓ મને એ બધું કરતાં જોઈ રહ્યા હતા અને તેમને ખબર હતી કે એ દ્વારા પ્રભુ વાત કરી રહ્યા છે. મેં તેમને કહ્યું, “તમારી ઇચ્છા થતી હોય તો મને મારું વેતન આપો. પણ ન આપવું હોય, તો તમારી પાસે રાખી લો.” તેથી તેમણે મને મારા વેતન તરીકે ચાંદીના ત્રીસ સિક્કા આપ્યા. પ્રભુએ મને કહ્યું, “તેને મંદિરના ભંડારમાં રાખ.” તેથી મેં એ ચાંદીના ત્રીસ સિક્કા - તેમણે મારું આંકેલું મૂલ્ય - લઈને મંદિરના ભંડારમાં મૂક્યા. પછી મેં ‘એક્તા’ નામની બીજી લાકડી ભાંગી નાખી, એટલે યહૂદિયા અને ઇઝરાયલની એક્તા તૂટી ગઈ. પછી પ્રભુએ મને કહ્યું, “ફરી એકવાર ઘેટાંપાળકનો વેશ ભજવી બતાવ. આ વખતનો વેશ તો એથીય ખરાબ છે. મેં મારા ટોળા પર ઘેટાંપાળક મૂક્યો છે. પણ વિનાશના જોખમમાં આવેલાં ઘેટાંને તે મદદ કરતો નથી; ખોવાયેલાંને તે શોધતો નથી, ઇજા પામેલાને આરોગ્ય પમાડતો નથી અથવા જે પુષ્ટ છે તેને ચારતો નથી. એને બદલે, એ સૌથી માતેલાં ઘેટાંનું માંસ ખાય છે અને તેમની ખરીઓ ચીરી નાખે છે. એ નક્મા ઘેટાંપાળકનું હવે આવી બન્યું છે. તેણે પોતાના ટોળાનો ત્યાગ કર્યો છે. તેનો હાથ સુકાઈ જશે, અને તેની જમણી આંખ ફૂટી જશે.” આકાશોને પ્રસારનાર, પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર અને માણસને જીવન બક્ષનાર પ્રભુ તરફથી ઇઝરાયલ માટેનો આ સંદેશ છે. તે કહે છે, “હું યરુશાલેમને લથડિયાં ખવડાવનાર દ્રાક્ષાસવના પ્યાલા જેવું કરીશ; તેની આસપાસની પ્રજાઓ એ પીને પીધેલાની માફક લથડિયાં ખાતી થશે. તેઓ યરુશાલેમને ઘેરો ઘાલે ત્યારે યહૂદિયામાં બીજાં નગરો પણ ઘેરાવમાં આવી જશે.” પણ એ સમય આવે ત્યારે, હું યરુશાલેમને ભારે પથ્થર જેવું બનાવી દઈશ. એને ઉપાડવા જનાર કોઈ પણ પ્રજા નુક્સાન પામશે. દુનિયાની સઘળી પ્રજાઓ તેના પર આક્રમણ કરવા પોતાનાં સૈન્યો એકઠાં કરશે. તે વખતે હું તેમના ઘોડાઓમાં ભય ફેલાવી દઈશ અને તેમના ઘોડેસવારો બાવરા બની જશે. હું યહૂદિયાના લોકોનું ધ્યાન રાખીશ, પણ તેમના શત્રુઓના ઘોડાઓને હું આંધળા બનાવી દઈશ. ત્યારે યહૂદાનાં ગોત્રો એકબીજાને કહેશે, ‘યરુશાલેમમાં વસતા પોતાના લોકોને સર્વસમર્થ પ્રભુ ઈશ્વર સામર્થ્ય આપે છે.’ “તે સમયે હું યહૂદાનાં ગોત્રોને વનમાં અથવા પાકી ચૂકેલાં ખેતરોમાં સળગી ઊઠતી આગ જેવા બનાવીશ. તેઓ આસપાસની સર્વ પ્રજાઓનો નાશ કરશે. યરુશાલેમના રહેવાસીઓ શહેરમાં સલામત રહેશે. હું પ્રભુ, યહૂદિયાનાં સૈન્યોને પ્રથમ વિજય અપાવીશ, તેથી દાવિદના વંશજો કે યરુશાલેમના રહેવાસીઓને બાકીના યહૂદિયા કરતાં વિશેષ માન મળશે નહિ. તે સમયે યરુશાલેમમાં વસનારા લોકોનું પ્રભુ રક્ષણ કરશે, અને એમનામાં જે સૌથી નબળો હોય તે દાવિદ સમાન બળવાન બનશે. દાવિદના વંશજો તેમને પ્રભુના દૂતની જેમ, હા, ખુદ ઈશ્વરની જેમ દોરશે. તે વખતે હું યરુશાલેમ પર હુમલો કરનાર પ્રજાનો વિનાશ કરીશ. “હું દાવિદના વંશજો અને યરુશાલેમના અન્ય લોકોને દયાના આત્માથી અને પ્રાર્થનાના આત્માથી ભરી દઈશ; જેને તેમણે ઘા કરીને મારી નાખ્યો છે, તેના તરફ તેઓ જોશે અને પોતાના એકના એક સંતાનના મરણને લીધે કોઈ રડે તેમ તેને માટે તેઓ રડશે. પોતાનો પ્રથમજનિત પુત્ર ગુમાવ્યો હોય તેની જેમ તેઓ આક્રંદ કરશે.” તે સમયે મગિદ્દોના મેદાનમાં હદાદરિમ્મોન માટે થયેલા વિલાપ જેવો વિલાપ યરુશાલેમમાં થશે. દેશમાં પ્રત્યેક કુટુંબ અલગ રીતે શોક પાળશે: દાવિદના વંશજોનું કુટુંબ, નાથાનના વંશજોનું કુટુંબ, લેવીના વંશજોનું કુટુંબ શિમઈના વંશજોનું કટુંબ, અને એમ બધાં કુટુંબો વિલાપ કરશે. પ્રત્યેક કુટુંબ અલગ અલગ વિલાપ કરશે. કુટુંબના પુરુષો સ્ત્રીઓથી અલગ પડી વિલાપ કરશે. સર્વસમર્થ પ્રભુ કહે છે, “એ દિવસે દાવિદના વંશજો અને યરુશાલેમના લોકોને તેમનાં પાપ અને મૂર્તિપૂજામાંથી શુદ્ધ કરવા એક ઝરો ફૂટી નીકળશે. તે સમયે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન ભૂંસી નાખીશ, અને તે પછી કોઈ તેમનું સ્મરણ નહિ કરે. સંદેશવાહક હોવાનો દાવો કરનારાઓને હું મારી સંમુખથી દૂર કરીશ અને મૂર્તિપૂજાની ઇચ્છા દૂર કરીશ. પછી તો ભવિષ્યવાણી ભાખવાનો આગ્રહ રાખનારના વિષે તો તેના માતાપિતા જ કહેશે કે તે મૃત્યુદંડને પાત્ર છે, કારણ, તેણે પ્રભુનો સંદેશ પ્રગટ કરવાનો દાવો કરીને જૂઠાણું ઉચ્ચાર્યું છે. તે ભવિષ્ય વચન ભાખતો હશે ત્યારે તેનાં માતપિતા તેના પર પ્રહાર કરી તેને મારી નાખશે. એ સમય આવે ત્યારે કોઇ સંદેશવાહક પોતાનાં સંદર્શનો વિષે બડાઇ મારશે નહિ, સંદેશવાહકની જેમ વર્તશે નહિ અથવા લોકોને છેતરવા માટે સંદેશવાહકનાં ખરબચડાં વસ્ત્ર પહેરશે નહિ. એને બદલે, તે કહેશે, ‘હું સંદેશવાહક નથી, હું તો ખેડૂત છું; મેં મારી આખી જિંદગી ખેતીમાં ગાળી છે.’ પછી કોઈ પૂછશે, ‘તારી છાતી પર પેલા શાના ઘાનાં ચિહ્નો છે?’ ત્યારે તે જવાબ આપશે, ‘મારા મિત્રના ઘરમાં મને એ ઘા પડયા છે.” સર્વસમર્થ પ્રભુ કહે છે, “તલવાર, જાગૃત થા! મારે માટે ક્મ કરનાર ઘેટાંપાળક પર હુમલો કર; તેને મારી નાખ, એટલે ઘેટાં વિખેરાઇ જશે; હું મારા લોક પર પ્રહાર કરીશ, એટલે સમગ્ર દેશમાંથી બે તૃતીયાંશ ભાગના લોકો માર્યા જશે. બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.” પ્રભુ ન્યાય કરવા બેસવાના છે તે દિવસ પાસે છે. ત્યારે યરુશાલેમ લૂંટી લેવાશે અને તમારી આંખો આગળ લૂંટ વહેંચી લેવાશે. પ્રભુ સઘળી પ્રજાઓને યરુશાલેમ વિરુદ્ધ લડાઈ કરવા લઈ આવશે. શહેર સર કરવામાં આવશે, ઘરો લૂંટાશે, અને સ્ત્રીઓની આબરૂ લેવાશે. અડધા લોકોને કેદીઓ બનાવી લઈ જવામાં આવશે, પણ બાકીના તો શહેરમાં જ રહેવા દેવાશે. પછી પ્રભુ પોતે જેમ ભૂતકાળમાં લડયા હતા તેમ બહાર જઈને એ પ્રજાઓ સામે લડશે. તે વખતે તે યરુશાલેમની પૂર્વ તરફ ઓલિવ પર્વત પર ઊભા રહેશે, ત્યારે ઓલિવ પર્વતના પૂર્વ-પશ્ર્વિમ બે ભાગ થઇ જશે અને એથી મોટી ખીણ બની જશે. અડધો પર્વત ઉત્તર તરફ અને અડધો પર્વત દક્ષિણ તરફ ખસી જશે. પર્વતના બે ભાગ પાડી દેતી એ ખીણમાં થઈને તમે નાસી છૂટશો. યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં ધરતીકંપ થતાં તમારા પૂર્વજો ભાગી છૂટયા તેમ તમે પણ નાસી જશો. મારો પ્રભુ પોતાના સર્વ દૂતો સહિત આવશે. એ દિવસ આવે ત્યારે ઠંડી કે હિમ નહિ હોય. અંધકાર પણ નહિ હોય. સતત દિવસનો પ્રકાશ હશે, અને રાત્રિના સમયે પણ એ પ્રકાશ રહેશે. એવું ક્યારે બનશે એ તો માત્ર પ્રભુ જ જાણે છે. *** એ દિવસ આવે ત્યારે યરુશાલેમમાંથી તાજાં પાણી વહેતાં થશે. અડધાં પાણી મૃત સમુદ્રમાં અને અડધાં પાણી ભૂમધ્ય સમુદ્રમાં વહેશે. તે પાણી ગરમીની કે ભેજવાળી ઋતુમાં આખા વર્ષ દરમ્યાન વહ્યા કરશે. ત્યારે તો યાહવે આખી પૃથ્વી પર રાજા હશે; સૌ કોઈ તેમનું ઈશ્વર તરીકે ભજન કરશે અને એ જ નામે તેમને ઓળખશે. ઉત્તરમાં ગેબાથી માંડીને દક્ષિણમાં રિમ્મોન સુધીનો સમગ્ર પ્રદેશ સપાટ થઈ જશે. યરુશાલેમ આસપાસના સર્વ પ્રદેશ કરતાં ઊંચું કરાશે; શહેરનો વિસ્તાર બિન્યામીનના દરવાજાથી અગાઉ જ્યાં દરવાજો હતો ત્યાં ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી રાજવી દ્રાક્ષકુંડ સુધીનો હશે. ત્યાંના લોકો સલામતીમાં જીવશે અને નાશની કોઈ ધમકી હશે નહિ. યરુશાલેમ વિરુદ્ધ લડાઈ કરનાર સર્વ પ્રજાઓ પર પ્રભુ ભયંકર રોગચાળો મોકલશે. તેમના જીવતાજીવ તેમનું માંસ સડી જશે. તેમની આંખો અને જીભ સડી જશે. તે સમયે તેઓ એવા ગૂંચવાઈ જશે અને ગભરાઈ જશે કે દરેક માણસ પોતાની પડખે ઊભેલા માણસને પકડીને તેના પર હુમલો કરશે. યહૂદિયાના પુરુષો યરુશાલેમનું રક્ષણ કરવા ઝઝૂમશે. તેઓ મોટા પ્રમાણમાં સોનુંરૂપું અને વસ્ત્રો વિગેરે સર્વ સંપત્તિ પ્રજાઓ પાસેથી લૂંટી લેશે. શત્રુની છાવણીનાં પ્રાણીઓ જેવાં કે ઘોડા, ખચ્ચર અને ઊંટો પર અને ગધેડાં પર ભયંકર રોગચાળો આવી પડશે. પછી તો યરુશાલેમ પર આક્રમણ કરનારી પ્રજાઓમાંથી જેઓ બચી ગયા તેઓ દર વર્ષે સર્વસમર્થ યાહવેનું રાજા તરીકે ભજન કરવા અને માંડવાપર્વ ઉજવવા યરુશાલેમ જશે. સર્વસમર્થ યાહવેની રાજા તરીકે ભક્તિ કરવા જવાની ના પાડનાર પ્રજાઓના દેશમાં વરસાદ વરસશે નહિ. ઇજિપ્તવાસીઓ માંડવાપર્વ ઉજવવાની ના પાડે તો એમ કરવાની ના પાડનાર અન્ય સર્વ પ્રજાઓના ઉપર મોકલાયેલા રોગ જેવો રોગ ઇજિપ્ત પર આવશે. માંડવાપર્વ નહિ ઉજવવા માટે ઇજિપ્ત અને અન્ય સર્વ દેશોને એવી શિક્ષા થશે. તે વખતે ઘોડાઓની ઘંટડીઓ પર આવા શબ્દો કોતરેલા હશે: “પ્રભુને સમર્પિત.” મંદિરનાં રાંધવાનાં તપેલાં પણ વેદી પરનાં પ્યાલાં જેવાં પવિત્ર ગણાશે. યરુશાલેમ અને સમગ્ર યહૂદિયાનાં રાંધવાનાં વાસણો સર્વસમર્થ પ્રભુની સેવાભક્તિ માટે અલગ કરાશે. બલિદાન આપનારા લોકો માંસ બાફવા માટે તેમનો ઉપયોગ કરશે. એ સમયે સર્વસમર્થ પ્રભુના મંદિરમાં ત્યાર પછી કોઈ વેપારી રહેશે નહિ. પ્રભુએ ઇઝરાયલી લોકોને કહેવા આપેલો આ સંદેશ છે. પ્રભુ પોતાના લોકોને કહે છે, “મેં સદા તમારા પર પ્રેમ રાખ્યો છે.” પણ તેઓ જવાબ આપે છે, “તમે કેવી રીતે અમારા પરનો તમારો પ્રેમ દર્શાવ્યો છે?” પ્રભુ જવાબ આપે છે, “એસાવ અને યાકોબ ભાઈઓ હતા, છતાં મેં યાકોબ તથા તેના વંશજો ઉપર પ્રેમ રાખ્યો છે, જ્યારે એસાવ તથા તેના વંશજોનો તિરસ્કાર કર્યો છે. મેં એસાવના પહાડીપ્રદેશને વેરાન કરી મૂક્યો છે અને તેના દેશને શિયાળવાંનું રહેઠાણ બનાવી દીધો છે.” જો એસાવના વંશજો એટલે કે અદોમીઓ આમ કહે કે, “અમારાં નગરોનો નાશ કરવામાં આવ્યો છે, પણ અમે તેમને ફરીથી બાંધીશું,” તો પ્રભુ તેમને જવાબ આપશે, “તેમને બાંધવા દો, હું તેમને ફરીથી તોડી પાડીશ. લોકો તેમને ‘દુષ્ટ દેશ’ ‘પ્રભુ જેના પર સદાય કોપાયમાન છે એવી પ્રજા’ કહીને સંબોધશે.” ઇઝરાયલના લોકો પોતાની નજરે એ જોશે અને કહેશે, “ઇઝરાયલ દેશ બહાર પ્રભુ પરાક્રમ દાખવે છે!” સર્વસમર્થ પ્રભુ યજ્ઞકારોને કહે છે, “પુત્ર પોતાના પિતાને અને નોકર પોતાના માલિકને માન આપે છે. હું તમારો પિતા છું; તો તમે શા માટે મને માન આપતા નથી? હું તમારો માલિક છું; તો શા માટે તમે મારું સન્માન કરતા નથી? તમે મારો તુચ્છકાર કરો છો અને છતાં પૂછો છો, ‘અમે કઈ રીતે તમારો તિરસ્કાર કર્યો છે?’ તમે આ રીતે મારો તિરસ્કાર કરો છો: મારી વેદી પર તમે નક્મા ખોરાકનું અર્પણ ચઢાવો છો. વળી, તમે કહો છો, ‘અમે તમારું સન્માન કરવામાં કેવી રીતે નિષ્ફળ નીવડયા છીએ?’ હું તે તમને જણાવીશ: મારી વેદીનો તિરસ્કાર કરીને તમે નિષ્ફળ ગયા છો. તમે એમ માનો છો કે મારી આગળ બલિદાન કરવા માટે તમે આંધળાં, બીમાર અને અપંગ જાનવરો લાવો છો એમાં કંઈ ખોટું નથી? તમારા રાજ્યપાલને એવું જાનવર આપવાનો અખતરો કરી જુઓ; તે તમારા પર પ્રસન્‍ન થઈને તમારા પર કંઈ મહેરબાની દાખવશે?” હવે હે યજ્ઞકારો, પ્રભુ આપણા પ્રત્યે ભલાઈ દર્શાવે તેવી વિનંતી કરી જુઓ. તે તમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર નહિ આપે, અને તેમાં વાંક તમારો છે. સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તો એવું ચાહું છું કે તમારામાંનો કોઈ મંદિરનાં દ્વાર બંધ કરી દઈને તમને મારી વેદી પર નિરર્થક અગ્નિ પેટાવતાં અટકાવે. હું તમારો સ્વીકાર કરીશ નહિ; ન તો તમારાં ચઢાવેલાં અર્પણો સ્વીકારીશ. પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે. પણ મારી વેદી નક્મી છે એમ કહેતાં અને તમે નક્મા ગણેલા ખોરાકનું મને અર્પણ ચઢાવતાં તમે મારું અપમાન કરો છો. તમે કહો છો, ‘અમે તો આ બધાથી કંટાળી ગયા છીએ!’ અને તમે મારી સામે છણકો કરો છો. મને બલિદાન તરીકે અર્પણ કરવા માટે તમે ચોરેલું પ્રાણી અથવા અપંગ કે બીમાર પ્રાણી લાવો છો. તમે એમ માનો છો કે હું તે તમારી પાસેથી સ્વીકારીશ? પોતાના ટોળામાં માનેલું પ્રાણી હોય અને મને તે ચઢાવવાનું વચન આપ્યું હોય ત્યારે મને નક્મા પ્રાણીનું અર્પણ ચઢાવીને છેતરપિંડી કરનાર પર શાપ ઊતરો. કારણ, હું મહાન રાજા છું, અને સર્વ દેશના લોકો મારું ભય રાખે છે.” સર્વસમર્થ પ્રભુ યજ્ઞકારોને કહે છે, “તમારે માટે આ આજ્ઞા છે: તમારે તમારાં કાર્યથી મારું સન્માન કરવું જોઈએ. તમે મારું કહેવું નહિ માનો તો હું તમારા પર શાપ મોકલીશ. તમને તમારા પોષણ માટે મળતી વસ્તુઓને હું શાપિત કરીશ. વાસ્તવમાં હું તેમને શાપિત કરી ચૂક્યો છું. કારણ, તમે મારી આજ્ઞાને ગંભીરતાપૂર્વક લેખવતા નથી. હું તમારાં સંતાનોને શિક્ષા કરીશ અને તમે જે પ્રાણીઓનું બલિદાન કરો છો તેનું જ છાણ હું તમારા ચહેરા પર ચોપડીશ અને તમને ઉકરડા પર લઈ જવામાં આવશે. ત્યારે તમે જાણશો કે મેં તમને આ આજ્ઞા આપી છે, એ માટે કે યજ્ઞકારો જે લેવીના વંશજો છે, તેમની સાથેના કરારનો ભંગ થાય નહિ. “મેં મારા કરારમાં તેમને જીવન અને સુખાકારીનું વચન આપ્યું, એ માટે કે તેઓ મારું સન્માન કરે. એ દિવસોમાં તો તેઓ મારો ડર રાખતા હતા અને મારું સન્માન કરતા હતા. તેઓ ખોટું નહિ, પણ સાચું શિક્ષણ આપતા હતા. તેઓ મારી સાથે સુસંગત રીતે રહેતા; તેઓ પોતે જ ન્યાયી વર્તન દાખવતા એટલું જ નહિ, પણ બીજાઓને પણ દુરાચરણથી અટકાવતા. ઈશ્વરના સાચા જ્ઞાનનું શિક્ષણ આપવું એ યજ્ઞકારોની ફરજ છે. તેમની પાસે જઈને લોકોએ મારી ઇચ્છા જાણવી જોઈએ; કારણ, તેઓ સર્વસમર્થ પ્રભુના સંદેશવાહકો છે. “પણ તમે યજ્ઞકારો સાચા માર્ગથી ભટકી ગયા છો. ઘણા લોકો તમારા શિક્ષણથી ખોટું કરતા શીખ્યા છે. તમારી સાથેના મારા કરારનો તમે ભંગ કર્યો છે. તમે મારી ઇચ્છાને આધીન થતા નથી અને શિક્ષણ આપવામાં તમે મારા લોકો પ્રત્યે સમાન વર્તન દાખવતા ન હોઈ, હું એવું કરીશ કે ઇઝરાયલી લોકો તમારો તિરસ્કાર કરશે.” શું આપણે એક જ પિતાનાં સંતાન નથી? શું એક જ ઈશ્વરે આપણને ઉત્પન્‍ન કર્યા નથી? તો પછી આપણે એકબીજા પ્રત્યે આપેલાં આપણાં વચનો કેમ તોડીએ છીએ, અને આપણા પૂર્વજો સાથે ઈશ્વરે કરેલા કરારનો શા માટે ભંગ કરીએ છીએ. યહૂદિયાના લોકોએ ઈશ્વરને તેમણે આપેલા વચનનાં ભંગ કરીને યરુશાલેમ તથા સમગ્ર દેશમાં ભયંકર ક્મ કર્યું છે. પ્રભુના પ્રિય મંદિરને તેમણે ભ્રષ્ટ કર્યું છે. વિધર્મી દેવોની પૂજા કરનાર સ્ત્રીઓ સાથે પુરુષોએ લગ્ન કર્યાં છે. એવું કરનારાઓને પ્રભુ ઇઝરાયલના સમાજમાંથી દૂર કરો અને સર્વસમર્થ પ્રભુને આપણી પ્રજા જે બલિદાનો ચઢાવે છે તેમાં તેમને ક્યારેય ભાગીદાર થવા ન દો. તમે વિશેષમાં આવું ક્મ પણ કરો છો. પ્રભુ હવે તમારાં અર્પણો સ્વીકારતા નથી માટે તમે રડીરડીને તેમની વેદીને આંસુથી ભીંજવી દો છો. તમે પૂછો છો કે શા માટે તે હવે અર્પણો સ્વીકારતા નથી? કારણ, તમારી યુવાવસ્થામાં તમે જે સ્ત્રીને પરણ્યા તેને તમે આપેલા વચનનો ભંગ કર્યો છે. તે તમારી સાથીદાર હતી અને તેના પ્રત્યેનું તમારું વચન તમે તોડયું છે; જો કે ઈશ્વરની સમક્ષ તો તમે તેને વફાદાર રહેવાનું વચન આપ્યું હતું. પ્રભુએ તમને તમારી પત્ની સાથે એક શરીર અને એક આત્મા કર્યા નહોતા? એમ કરવામાં તેમનો હેતુ શો હતો? એ જ કે તમને જે સંતાન થાય તે ઈશ્વરના ખરેખરા લોક હોય. તેથી તમારામાંનો કોઈ પોતાની પત્ની સાથેનો કરાર તોડે નહિ તેની તકેદારી રાખે. ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે, “હું છૂટાછેડાનો તિરસ્કાર કરું છું. તમારામાંનો કોઈ પોતાની પત્ની પ્રત્યે એવું ક્રૂર વર્તન દાખવે તો હું તેનો ધિક્કાર કરું છું. તમારી પત્નીને વફાદાર રહેવા આપેલા વચનનો તમે ભંગ ન કરો તેની તકેદારી રાખો.” તમે તમારી વાતોથી પ્રભુને થકવી નાખ્યા છે. છતાં તમે પૂછો છો, “અમે તેમને કેવી રીતે થકવી નાખ્યા છે? ‘સર્વસમર્થ પ્રભુ સઘળા દુષ્ટોને સારા ગણે છે અને તેમના પર પ્રસન્‍ન રહે છે’ અથવા ‘ન્યાયી ગણાતો ઈશ્વર ક્યાં છે?’ એવું કહીને તમે તેમ કર્યું છે. સર્વસમર્થ પ્રભુનો આ જવાબ છે: “હું મારા રાજદૂતને મારે માટે માર્ગ તૈયાર કરવા મોકલીશ. પછી જેમની તમે આશા રાખો છો એ પ્રભુ એકાએક તેમના મંદિરમાં આવશે. તમે જે સંદેશકને જોવાની ઉત્કંઠા રાખો છો તે આવીને મારો કરાર પ્રગટ કરશે.” પણ તેના આગમનનો દિવસ કોણ સહન કરી શકશે? તે પ્રગટ થાય ત્યારે કોણ બચી જશે? તે તો ધાતુ ગાળનારે પેટાવેલ અગ્નિ જેવો અને ધોબીના સાબુ જેવો હશે. રૂપાને ગાળીને શુદ્ધ કરનારની જેમ તે ન્યાય કરવા આવનાર છે. સુવર્ણકાર જેમ સોનારૂપાને ગાળીને શુદ્ધ કરે છે, તેમ પ્રભુનો સંદેશક યજ્ઞકારોને શુદ્ધ કરશે, એ માટે કે તેઓ પ્રભુ સમક્ષ યોગ્ય પ્રકારનાં અર્પણ લાવે. ત્યારે તો, જેમ ભૂતકાળમાં હતું તેમ, યહૂદિયા અને યરુશાલેમના લોકો જે અર્પણો લાવશે તે પ્રભુને પ્રસન્‍ન કરનારાં હશે. સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ. “હું પ્રભુ છું અને હું અવિચળ છું. એને જ લીધે તમે યાકોબના વંશજો સદંતર નષ્ટ થઈ ગયા નથી. તમારા પૂર્વજોની જેમ તમે પણ મારા નિયમોથી ભટકી ગયા છો અને તેમનું પાલન કર્યું નથી. મારી તરફ પાછા ફરો, એટલે હું તમારા તરફ ફરીશ. પણ તમે પૂછો છો, ‘તમારી તરફ ફરવા માટે અમારે શું કરવું?’ હું તમને પૂછું છું: ઈશ્વરને છેતરવા એ યોગ્ય છે? ના, નથી; તોપણ તમે મને છેતરો છો. તમે પૂછશો, ‘કેવી રીતે?’ દશાંશો અને અર્પણો આપવા સંબંધમાં. આખો દેશ મને છેતરે છે તેથી તમારા શિર પર શાપ છે. તમારાં પૂરેપૂરાં દશાંશ મંદિરમાં લાવો, એ માટે કે ત્યાં અન્‍નની અછત રહે નહિ. મારી પારખ કરી જુઓ કે હું આકાશની બારીઓ ખોલીને તમારે માટે સર્વ સારી વસ્તુઓ ભરપૂરીમાં વરસાવું છું કે નહિ. હું જીવજંતુઓને તમારો પાક ખાવા દઈશ નહિ અને તમારા દ્રાક્ષવેલા દ્રાક્ષથી લચી પડશે. ત્યારે તો સર્વ પ્રજાઓ તમને ધન્ય કહેશે, કારણ તમારો દેશ વસવાલાયક છે.” પ્રભુ કહે છે, “તમે મારા વિષે ભયાનક વાતો કરી છે. પણ તમે પૂછો છો, ‘અમે તમારે વિષે શું બોલ્યા છીએ?’ તમે કહ્યું છે, ‘ઈશ્વરની સેવાભક્તિ કરવાનું નિરર્થક છે. તેમનું કહ્યું કરવામાં અથવા આપણાં કૃત્યો માટે આપણે દિલગીર છીએ, એવું સર્વસમર્થ પ્રભુને બતાવવાનો શો અર્થ છે? અમે જોઈએ છીએ તેમ ગર્વિષ્ઠો જ સુખાનંદમાં હોય છે. માત્ર દુષ્ટોની જ આબાદી થાય છે, પોતાનાં દુષ્કૃત્યોથી તેઓ ઈશ્વરની ધીરજની ક્સોટી કરે છે, અને છતાં તેઓ છટકી જાય છે!” પછી પ્રભુનું ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી, અને પ્રભુએ લક્ષ દઈને તેમનું સાંભળ્યું. પ્રભુનું ભય રાખનારા અને તેમનો આદર કરનારા લોકોની નોંધ એક પુસ્તકમાં પ્રભુની હાજરીમાં જ કરી લેવામાં આવી. સર્વસમર્થ પ્રભુ કહે છે, “તેઓ મારા લોકો થશે. જે દિવસે હું કાર્યરત બનીશ તે દિવસે તે મારા પોતાના લોક થશે. પિતાની સેવા કરનાર પુત્ર પર જેમ પિતા મમતાળુ છે તેમ હું તેમના પર મમતા દાખવીશ. ફરી એકવાર મારા લોક ન્યાયીઓનો તેમજ દુષ્ટોનો તથા મારી સેવા કરનારાનો તેમજ નહિ કરનારાનો શો અંજામ આવે છે તેનો તફાવત જોઈ શકશે. સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે સર્વ ગર્વિષ્ઠ અને દુષ્ટ લોકો ખૂંપરાની જેમ બળી જશે. તે દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે અને તેમનું નામનિશાન રહેશે નહિ. પણ તમે જેઓ મને આધીન થાઓ છો તેમના પર તો તમને બચાવનારું મારું સામર્થ્ય સૂર્યની જેમ ઊગશે, અને સૂર્યનાં કિરણોની જેમ આરોગ્ય આપશે. કોઢમાંથી છોડેલા કૂદતા વાછરડાની જેમ તમે મુક્ત અને આનંદી થશો. હું જે દિવસે કાર્ય કરીશ ત્યારે તમે દુષ્ટો પર વિજય પામશો અને તેઓ તમારી ચરણરજ સમાન બની જશે. “મારા સેવક મોશેનું શિક્ષણ એટલે મારા સર્વ ઇઝરાયલી લોકો પાળે તે માટે જે નિયમો તથા આજ્ઞાઓ મેં તેને સિનાઇ પર્વત પર આપ્યાં તે યાદ રાખો. “પણ પ્રભુનો મહાન અને ભયંકર દિવસ આવે તે પહેલાં, હું એલિયા સંદેશવાહકને તમારી પાસે મોકલી દઈશ. તે ફરીથી પિતા અને પુત્રોનું સમાધાન કરાવશે; રખેને હું આવીને તમારા દેશનો નાશ કરું.” ઈસુ ખ્રિસ્તના પૂર્વજોની યાદી આ પ્રમાણે છે: તે દાવિદના વંશજ હતા, દાવિદ અબ્રાહામનો વંશજ હતો. અબ્રાહામ ઇસ્હાકનો પિતા હતો. ઇસ્હાક યાકોબનો પિતા હતો. યાકોબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો. યહૂદા પેરેસ અને ઝેરાનો પિતા હતો. તેમની માતાનું નામ તામાર હતું. પેરેસ હેસ્રોનનો પિતા હતો અને હેસ્રોન રામનો પિતા હતો. રામ આમ્મીનાદાબનો પિતા હતો અને આમ્મીનાદાબ નાહશોનનો પિતા હતો. નાહશોન શાલ્મોનનો પિતા હતો. અને શાલ્મોન બોઆઝનો પિતા હતો. બોઆઝની માતાનું નામ રાહાબ હતું. બોઆઝ ઓબેદનો પિતા હતો. ઓબેદની માતાનું નામ રૂથ હતું. ઓબેદ યિશાઈનો પિતા હતો; અને યિશાઈ દાવિદ રાજાનો પિતા હતો. દાવિદ શલોમોનનો પિતા હતો. શલોમોનની માતા અગાઉ ઉરિયાની પત્ની હતી. શલોમોન રહાબઆમનો પિતા હતો અને રહાબઆમ અબિયાનો પિતા હતો. અબિયા આસાનો પિતા હતો અને આસા યહોશાફાટનો પિતા હતો. યહોશાફાટ યોરામનો પિતા હતો અને યોરામ ઉઝિયાનો પિતા હતો. ઉઝિયા યોથામનો પિતા હતો અને યોથામ આહાઝનો પિતા હતો. આહાઝ હિઝકિયાનો પિતા હતો. અને હિઝકિયા મનાશ્શેહનો પિતા હતો. મનાશ્શેહ આમોનનો પિતા હતો અને આમોન યોશિયાનો પિતા હતો. યોશિયા યખોન્યા અને તેના ભાઈઓનો પિતા હતો; આ સમયે ઇઝરાયલ પ્રજાને ગુલામ તરીકે બેબિલોનમાં લઈ જવામાં આવી હતી. બેબિલોનની ગુલામીમાં પ્રજાને લઈ જવામાં આવી તે પછી યખોન્યાનો પુત્ર શઆલ્તીએલ જન્મ્યો. શઆલ્તીએલ ઝરૂબ્બાબેલનો પિતા હતો. ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા હતો અને અબીઉદ એલિયાકીમનો પિતા હતો. એલિયાકીમ આઝોરનો પિતા હતો અને આઝોર સાદોકનો પિતા હતો. સાદોક આખીમનો પિતા હતો અને આખીમ એલીહુદનો પિતા હતો. એલીહુદ એલીઆઝરનો પિતા હતો અને એલીઆઝર માથ્થાનનો પિતા હતો. માથ્થાન યાકોબનો પિતા હતો. યાકોબ યોસેફનો પિતા હતો. યોસેફ મિર્યામનો પતિ હતો અને મિર્યામ ઈસુ જે ખ્રિસ્ત કહેવાયા તેમની માતા હતી. આમ, અબ્રાહામથી દાવિદ સુધી ચૌદ પેઢી થાય છે, અને દાવિદના સમયથી ઇઝરાયલી પ્રજાને બેબિલોનની ગુલામીમાં લઈ જવામાં આવી ત્યાં સુધી ચૌદ પેઢી થાય છે, અને ત્યાંથી ખ્રિસ્તના જન્મ સુધી ચૌદ પેઢી થાય છે. ખ્રિસ્તનો જન્મ આ રીતે થયો: તેમની માતા મિર્યામની સગાઈ યોસેફ સાથે થઈ હતી. પણ તેમનો સમાગમ થયા પહેલાં તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ. જેની સાથે તેની સગાઈ થઈ હતી તે યોસેફ સીધો માણસ હતો. તે મિર્યામને જાહેરમાં કલંક્તિ કરવા માગતો ન હતો. તેથી તેણે ખાનગીમાં સગાઈ તોડી નાખવાનો નિર્ધાર કર્યો. જ્યારે તે આ વિષે વિચારતો હતો ત્યારે સ્વપ્નમાં પ્રભુનો દૂત તેની સમક્ષ હાજર થયો, અને તેને કહ્યું, દાવિદના વંશજ યોસેફ, મિર્યામને તારી પત્ની તરીકે સ્વીકારતાં ગભરાઈશ નહિ. કારણ, પવિત્ર આત્માની મારફતે તેને ગર્ભ રહેલો છે. તે પુત્રને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે; કારણ, તે પોતાના લોકોને તેમનાં પાપમાંથી બચાવશે. સંદેશવાહકની મારફતે પ્રભુએ જે જણાવ્યું હતું તે પૂર્ણ થાય માટે આ બધી બાબતો બની, એટલે, કુંવારીને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ [જેનો અર્થ ઈશ્વર આપણી સાથે છે તેવો થાય છે] પાડવામાં આવશે. યોસેફ જાગી ઊઠયો અને પ્રભુના દૂતના કહેવા પ્રમાણે તેણે મિર્યામ સાથે લગ્ન કર્યું, પણ મિર્યામે પુત્રને જન્મ આપ્યો નહિ ત્યાં સુધી તેણે તેની સાથે સમાગમ કર્યો નહિ. યોસેફે તે પુત્રનું નામ ઈસુ પાડયું. હેરોદ રાજાના સમયમાં યહૂદિયા દેશના બેથલેહેમ નગરમાં ઈસુનો જન્મ થયા પછી કેટલાક ખગોળશાસ્ત્રીઓ પૂર્વમાંથી યરુશાલેમ આવ્યા. તેમણે પૂછપરછ કરી, યહૂદીઓનો રાજા બનનાર બાળકનો જન્મ ક્યાં થયો છે? અમે પૂર્વમાં તેમનો તારો ઊગતો જોયો છે, અને તેમનું ભજન કરવા આવ્યા છીએ. આ વાત સાંભળીને હેરોદ રાજા તેમ જ બધા યરુશાલેમવાસીઓ ચિંતામાં પડી ગયા. તેણે બધા મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોની સભા બોલાવીને પૂછયું, મસીહનો જન્મ ક્યાં થવો જોઈએ? તેમણે જવાબ આપ્યો, યહૂદિયાના બેથલેહેમનગરમાં; કારણ, સંદેશવાહકે આ પ્રમાણે લખેલું છે: ’હે યહૂદિયાના બેથલેહેમ, યહૂદિયાના રાજ્યમાં તું કંઈ નાનું નથી. કારણ, તારામાંથી એક આગેવાન ઊભો થશે અને તે મારા ઇઝરાયલી લોકોનો માર્ગદર્શક બનશે’. આથી હેરોદે પૂર્વના આ ખગોળશાસ્ત્રીઓને ખાનગી રીતે બોલાવ્યા અને કયા સમયે તારો દેખાયો હતો તેની ચોક્કસ બાતમી મેળવી લીધી. ત્યાર પછી તેણે તેમને આ સૂચનાઓ આપી બેથલેહેમ મોકલ્યા: જાઓ, એ બાળકની ખંતથી શોધ કરો અને તમને મળે એટલે મને જાણ કરજો; જેથી હું પણ ત્યાં જઈને તેનું ભજન કરી શકું. એ આદેશ સાંભળીને તેઓ ચાલી નીકળ્યા. જે તારો તેમને પૂર્વમાં દેખાયો હતો તેને તેમણે માર્ગે જતાં જોયો. એ તારો તેમની આગળ આગળ ચાલવા લાગ્યો, અને જે જગ્યાએ બાળક હતું ત્યાં તે અટકી ગયો. તારાને જોઈને તેમને અનહદ આનંદ થયો. તેઓ ઘરમાં ગયા અને બાળકને તેની માતા મિર્યામ પાસે જોયો. તેમણે નીચા નમીને તેનું ભજન કર્યું. પછી તેમણે પોતાની પેટી ખોલીને તેને સોનું, ધૂપ અને બોળની બક્ષિસો આપી. હેરોદ પાસે પાછા જવું નહિ એવી ચેતવણી ઈશ્વરે તેમને સ્વપ્નમાં આપી હોવાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં ચાલ્યા ગયા. તેમના ગયા પછી પ્રભુના દૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઊઠ, બાળક તથા તેની માતાને લઈને ઇજિપ્તમાં નાસી જા અને હું તને ન જણાવું ત્યાં સુધી ત્યાં જ રહેજે. કારણ, હેરોદ બાળકને મારી નાખવાનો લાગ શોધે છે. યોસેફ બાળકને તથા તેની માતાને લઈને રાત્રિના સમયે ઇજિપ્ત જવાને ચાલી નીકળ્યો, અને હેરોદના મૃત્યુ સુધી તે ત્યાં રહ્યો. સંદેશવાહકની મારફતે પ્રભુએ જે કહ્યું હતું તે પૂર્ણ થાય માટે આમ બન્યું: મેં મારા પુત્રને ઇજિપ્તમાંથી બોલાવ્યો. હેરોદને જ્યારે ખબર પડી કે પૂર્વના ખગોળશાસ્ત્રીઓએ તેને છેતર્યો છે ત્યારે તે ગુસ્સે થયો. તારો જે સમયે દેખાયો હતો તેની ખગોળશાસ્ત્રીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે તેણે બેથલેહેમ અને તેની આસપાસનાં દેશમાંનાં બે વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બધા છોકરાઓની ક્તલ કરાવી નાખી. ઈશ્વરના સંદેશવાહક યર્મિયાએ જે કહ્યું હતું તે પૂર્ણ થયું: રામામાં રોકકળ અને વિલા પ સંભળાય છે. રાહેલ પોતાનાં બાળકો માટે રડે છે; તે આક્રંદ કરે છે અને દિલાસો પામવા માગતી નથી. કારણ, તે બધાં મરણ પામ્યાં છે. હેરોદનું મરણ થયા પછી ઇજિપ્તમાં પ્રભુના દૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દીધું, અને કહ્યું, ઊઠ, બાળક અને તેની માતાને લઈને ઇઝરાયલ દેશમાં પાછો જા; કારણ, જેઓ બાળકને મારી નાખવાનો યત્ન કરતા હતા તેઓ મરી ગયા છે. આથી યોસેફ ઊઠયો, અને બાળક તથા તેની માતાને લઈને ઇઝરાયલ પાછો ગયો. જ્યારે તેને ખબર પડી કે આર્ખિલાઉસ તેના પિતા હેરોદના મરણ પછી યહૂદિયાનો રાજા બન્યો છે ત્યારે યોસેફ ત્યાં જતાં ભરાયો. સ્વપ્નમાં વધુ સૂચનાઓ મળતાં તે ગાલીલ દેશમાં ગયો, અને નાઝારેથ નામના નગરમાં જઈને રહેવા લાગ્યો. તે નાઝારી કહેવાશે, એવું સંદેશ- વાહકોએ જે કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ બન્યું. lએ સમયે બાપ્તિસ્મા કરનાર યોહાને યહૂદિયાના વેરાન દેશમાં ઉપદેશ આપવાની શરૂઆત કરી. તે કહેતો, તમારાં પાપથી પાછા ફરો. કારણ, ઈશ્વરનું રાજ નજીક આવી પહોંચ્યું છે. સંદેશવાહક યશાયાએ જે લખેલું છે તે યોહાનને જ લાગુ પડે છે: વેરાન દેશમાં કોઈ પોકારી રહ્યું છે: પ્રભુને માટે માર્ગ તૈયાર કરો; તેમને માટે રસ્તો સરખો કરો. યોહાનનો પોશાક ઊંટના વાળનો બનાવેલો હતો. તે પોતાની કમરે ચામડાનો પટ્ટો બાંધતો હતો. તીડો તથા જંગલી મધ તેનો ખોરાક હતો. લોકો યરુશાલેમથી, યહૂદિયાના સમગ્ર દેશમાંથી અને યર્દન નદીની આસાપાસના બધા દેશમાંથી તેની પાસે આવ્યા. તેઓએ પોતાનાં પાપની કબૂલાત કરી અને યોહાને તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું. ફરોશીપંથના અને સાદૂકીપંથના ઘણા માણસો પણ યોહાનની પાસે બાપ્તિસ્મા લેવા માટે આવ્યા, ત્યારે તેણે તેમને કહ્યું; ઓ સર્પોના વંશ! ઈશ્વરના આવી રહેલા કોપથી નાસી છુટાશે એવી ચેતવણી તમને કોણે આપી? તમે તમારાં પાપથી પાછા ફર્યા છો તેવું દર્શાવતાં કાર્યો કરો. ’અબ્રાહામ અમારો પૂર્વજ છે,’ એમ કહીને બહાનું ન કાઢશો. હું તમને કહું છું કે ઈશ્વર તો આ પથ્થરોમાંથી પણ અબ્રાહામને માટે સંતાનો ઉત્પન્‍ન કરી શકે તેમ છે! હવે તો વૃક્ષોને જડમૂળથી કાપી નાખવાને માટે કુહાડી તૈયાર છે. જે વૃક્ષ સારાં ફળ આપતું નથી, તેને કાપીને અગ્નિમાં બાળી નાખવામાં આવશે. તમે પાપથી પાછા ફર્યા છો માટે હું તમારું બાપ્તિસ્મા પાણીથી કરું છું, પણ મારા પછી આવનાર તમને પવિત્ર આત્માથી અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે. મારા કરતાં તો તે ઘણા મહાન છે. હું તો તેમનાં ચંપલ ઊંચકવાને પણ યોગ્ય નથી. તેમના હાથમાં સૂપડું છે. તે ઘઉં પોતાના કોઠારમાં એકઠા કરશે, પણ છોતરાંને તો તે સતત સળતા અગ્નિમાં બાળી નાખશે. આ સમયે ઈસુ ગાલીલના દેશથી યર્દન નદીએ આવ્યા અને યોહાનની પાસે બાપ્તિસ્મા લેવા ગયા. પણ યોહાને તેમને રોકવાનો યત્ન કર્યો અને કહ્યું, મારે તમારા દ્વારા બાપ્તિસ્મા લેવું જોઈએ; તો પછી તમે મારી પાસે કેમ આવો છો? પણ ઈસુએ જવાબ આપ્યો, હાલ એમ થવા દે. કારણ, આ રીતે આપણે ઈશ્વરની સર્વ માગણીઓ પરિપૂર્ણ કરીએ એ ઉચિત છે. આથી યોહાન સંમત થયો. તેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું કે ઈસુ તરત જ પાણીમાંથી બહાર આવ્યા. ત્યાં તેમની સમક્ષ આકાશ ઊઘડી ગયું અને તેમણે ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો અને પોતાના પર સ્થિર થતો જોયો. આકાશમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું. ત્યાર પછી ઈસુ પવિત્ર આત્મા દ્વારા વેરાન દેશમાં જવા પ્રેરાયા; જેથી શેતાન તેમનું પ્રલોભન કરે. ચાળીસ રાતદિવસ સુધી ઉપવાસ પછી ઈસુ ભૂખ્યા થયા. શેતાન તેમની પાસે આવ્યો, અને કહ્યું, જો તું ઈશ્વરપુત્ર છે, તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલી બની જાય. ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખેલું છે, ’માનવી ફક્ત રોટલીથી જ નહિ, પણ ઈશ્વરના મુખે ઉચ્ચારાયેલા પ્રત્યેક શબ્દ દ્વારા જીવે છે’. ત્યાર પછી શેતાન ઈસુને પવિત્ર શહેરમાં લઈ જાય છે અને મંદિરના સૌથી ઊંચા ભાગ પર બેસાડીને કહે છે, જો તું ઈશ્વરપુત્ર છે, તો નીચે કૂદકો માર. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: ’ઈશ્વર પોતાના દૂતોને તારા સંબંધી હુકમ આપશે અને તેઓ તને તેમના હાથમાં ઝીલી લેશે; જેથી તારા પગને પણ પથ્થરથી ઈજા થાય નહિ’. ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં એમ પણ લખેલું છે, ’તારે પ્રભુ તારા ઈશ્વરની પરીક્ષા કરવી ન જોઈએ.’ ત્યાર પછી શેતાન ઈસુને એક ઊંચા પર્વત પર લઈ ગયો અને દુનિયાનાં બધાં રાજયો અને તેમનો વૈભવ બતાવ્યાં. પછી શેતાને કહ્યું, જો તું પગે પડીને મારું ભજન કરે, તો આ બધું હું તને આપીશ. પણ ઈસુએ જવાબ આપ્યો, શેતાન, દૂર હટ! શાસ્ત્રમાં લખેલું છે, ’પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને માત્ર તેમની જ સેવા કર.’ ત્યાર પછી શેતાન તેમને છોડીને ચાલ્યો ગયો અને દૂતોએ આવીને ઈસુની સેવા કરી. યોહાનને કેદમાં પૂરવામાં આવ્યો છે તેવું ઈસુએ સાંભળ્યું, ત્યારે તે ગાલીલ દેશમાં ગયા. તે નાઝારેથમાં ઠરીઠામ થયા નહિ, પણ ઝબૂલુન અને નાફતગાલીના દેશમાં ગાલીલ સરોવરને કિનારે આવેલા કાપરનાહૂમ શહેરમાં વસ્યા. યશાયા સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય તે માટે એમ બન્યું: ઓ ઝબૂલુન અને નાફતગાલીના દેશ, યર્દનની પેલે પાર સરોવરને કિનારે આવેલા બિનયહૂદીઓના ગાલીલ! જે જા અંધકારમાં વસતી હતી તેને મહાન પ્રકાશ દેખાયો, અને જે જા મૃત્યુછાયાના દેશમાં વસતી હતી તેની સમક્ષ જ્યોતિનો ઉદય થયો. આ સમયથી ઈસુએ પોતાનું પ્રચારકાર્ય શરૂ કર્યું: તમારાં પાપથી પાછા ફરો; કારણ, ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે. ઈસુ ગાલીલ સરોવરને કિનારે ચાલતા હતા. તેમણે બે માછી ભાઈઓ, સિમોન પિતર અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા. ઈસુએ તેમને કહ્યું, મને અનુસરો, એટલે હું તમને માણસોને મારા અનુયાયી બનાવતાં શીખવીશ. તેઓ તરત જ પોતાની જાળો મૂકી દઈને ઈસુની પાછળ ચાલી નીકળ્યા. તે આગળ ચાલ્યા, અને બીજા બે ભાઈઓ, ઝબદીના પુત્રો યાકોબ અને યોહાનને તેમણે જોયા. તેઓ હોડીમાં તેમના પિતા ઝબદીની સાથે જાળો સાંધતા હતા. ઈસુએ તેમને બોલાવ્યા. તરત જ તેઓ હોડી તથા તેમના પિતાને મૂકીને ઈસુની પાછળ ચાલી નીકળ્યા. ઈસુ સમગ્ર ગાલીલ દેશમાં તેમનાં ભજનસ્થાનોમાં ઈશ્વરના રાજનો શુભસંદેશ પ્રગટ કરતા અને દરેક પ્રકારની માંદગી અને બીમારીમાં સપડાયેલાંને સાજા કરતા ફર્યા. તેમની કીર્તિ સમગ્ર સિરિયા દેશમાં ફેલાઈ ગઈ. તેથી લોકો જાતજાતના રોગથી પીડાતા અને બધા પ્રકારના પીડિતોને, એટલે દુષ્ટાત્મા વળગેલાઓ, વાઈના દર્દીઓ અને લકવાવાળાઓને ઈસુની પાસે લાવ્યા. ઈસુએ એ બધાને સાજા કર્યા. ગાલીલ દેશમાંથી, દસનગરના દેશમાંથી તથા યરુશાલેમ, યહૂદિયા અને યર્દન નદીની સામે કિનારે આવેલા દેશમાંથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ જવા લાગ્યાં. ઈસુ ટોળાંને લીધે એક ટેકરી પર ચઢીને ત્યાં બેસી ગયા. તેમના શિષ્યો તેમની પાસે આવ્યા, અને તેમણે તેમને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. અંતરાત્માથી દીનતા ધરાવનાર લોકોને ધન્ય છે; કારણ, આકાશનું રાજ તેમનું છે. શોક કરનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેમને સાંત્વન આપશે. નમ્રજનોને ધન્ય છે, કારણ, તેઓ ઈશ્વરના વરદાન પ્રમાણે ભૌતિક આશિષ પામશે. ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવાની ઉત્કંઠા ધરાવનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેમને તૃપ્તિ પમાડશે. બીજા પ્રત્યે દયા દાખવનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેઓ પર દયા રાખશે. હૃદયની શુદ્ધતા જાળવનારને ધન્ય છે; કારણ, તેઓ ઈશ્વરનું દર્શન પામશે. માણસોમાં શાંતિ સ્થાપનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેમને પોતાના પુત્રો કહેશે. ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવાને લીધે જેમને સતાવવામાં આવે છે તેમને ધન્ય છે; કારણ, આકાશનું રાજ તેમનું છે. મારા અનુયાયી હોવાને લીધે માણસો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને તમારી વિરુદ્ધ જાતજાતની જુઠ્ઠી વાતો બોલે ત્યારે તમને ધન્ય છે. આનંદીત થાઓ અને ઉલ્લાસી રહો; કારણ, તમારે માટે આકાશમાં મહાન બદલો રાખવામાં આવ્યો છે. તમારી પહેલાં થઈ ગયેલા ઈશ્વરના સંદેશવાહકોને પણ તેમણે એ જ રીતે સતાવ્યા હતા. સમગ્ર માનવજાતમાં તમે મીઠા સમાન છો. પણ જો મીઠું પોતાનો સ્વાદ ગુમાવે, તો તે શાથી ખારું કરાશે? પછી તો તે બિનઉપયોગી બન્યું હોવાથી તેને નાખી દેવામાં આવે છે અને તે લોકોના પગ તળે કચડાય છે. સમગ્ર દુનિયામાં તમે પ્રકાશરૂપ છો. પર્વત પર વસાવેલું શહેર છૂપું રહી શકે નહિ. કોઈ દીવાને સળગાવીને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકશે; જ્યાંથી તે સમગ્ર ઘરને પ્રકાશિત કરે છે. તે જ પ્રમાણે તમારો પ્રકાશ લોકો સમક્ષ પ્રકાશવો જોઈએ, જેથી જે સારાં કાર્યો તમે કરો છો તે જોઈને તેઓ આકાશમાંના તમારા ઈશ્વરપિતાની સ્તુતિ કરે. એમ ન માનશો કે હું મોશેના નિયમશાસ્ત્રને અને સંદેશવાહકોના શિક્ષણને નષ્ટ કરવા આવ્યો છું. હું નષ્ટ કરવા તો નહિ, પણ તેમના શિક્ષણને પરિપૂર્ણ કરવા આવ્યો છું. હું તમને સાચે જ કહું છું: આકાશ અને પૃથ્વીની હયાતી ભલે મટી જાય, પણ બધું જ નિયમશાસ્ત્ર પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી તેમાંની નાનામાં નાની વાત કે ઝીણામાં ઝીણી વિગત નાબૂદ થવાની નથી. આથી જે કોઈ નાનામાં નાની આજ્ઞા પણ તોડશે અને બીજાઓને એવું કરતાં શીખવશે તે ઈશ્વરના રાજમાં સૌથી નાનો કહેવાશે. એથી ઊલટું, જે નિયમશાસ્ત્ર પાળશે અને બીજાઓને પણ તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજમાં મોટો કહેવાશે. ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવામાં તમે નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ કરતાં ચડિયાતા માલૂમ પડો તો જ તમે ઈશ્વરના રાજમાં પ્રવેશ પામવાને યોગ્ય બનશો. ભૂતકાળમાં લોકોને જે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે: ’ખૂન ન કર.’ જો કોઈ ખૂન કરે તો તેને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવે. પણ હવે હું તમને કહું છું: જે કોઈ પોતાના ભાઈ પર વિનાકારણ ગુસ્સે થાય છે તેને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવશે. જે કોઈ પોતાના ભાઈને ’મૂર્ખ!’ કહેશે, તેને ન્યાયસભાની સમક્ષ રજૂ કરવામાં આવશે અને જે કોઈ પોતાના ભાઈને ’બેવકૂફ’ કહેશે તે નર્કના અગ્નિમાં જવાના જોખમમાં આવશે. તેથી જો તું વેદી પર તારું અર્પણ ઈશ્વરને અર્પવા લાવે અને તને યાદ આવે કે, તારા ભાઈને તારી વિરુદ્ધ કંઈ ફરિયાદ છે; તો ત્યાં વેદી આગળ જ તારું અર્પણ મૂકી દે. પ્રથમ તારા ભાઈ સાથે સમાધાન કર અને પછી પાછા આવીને ઈશ્વરને તારું અર્પણ ચઢાવ. જો કોઈ માણસ તારી વિરુદ્ધ ફરિયાદ કરે અને તને કોર્ટમાં ઘસડી જાય, તો કોર્ટમાં હાજર થવાનું થાય ત્યાં સુધીમાં તેની સાથે સમાધાન કરી લે. કારણ, એકવાર ત્યાં ગયા પછી તે તને ન્યાયાધીશને સોંપી દેશે. ન્યાયાધીશ તને પોલીસને સોંપી દેશે અને પોલીસ તને જેલમાં ધકેલી દેશે. જ્યાં સુધી તું પૂરેપૂરો દંડ ન ભરે ત્યાં સુધી તારે જેલમાં રહેવું પડશે. આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે: ’વ્યભિચાર ન કર.’ પણ હવે હું તમને કહું છું: જો કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજરે જુએ છે તો તે તેની સાથે મનમાં વ્યભિચાર કરે છે. તેથી જો તારી જમણી આંખ તારી પાસે પાપ કરાવે તો તેને કાઢી નાખીને ફેંકી દે! તારે તારા એક અંગને ગુમાવવું તે તારું સમગ્ર શરીર નર્કમાં નાખી દેવાય તે કરતાં સારું છે. જો તારો જમણો હાથ તારી પાસે પાપ કરાવે તો તેને કાપીને ફેંકી દે! તારે તારા એક અંગને ગુમાવવું તે તારું સમગ્ર શરીર નર્કમાં નાખી દેવાય એ કરતાં સારું છે. આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું: ’જો કોઈ પોતાની પત્નીથી લગ્નવિચ્છેદ કરે તો તેણે તેને લગ્નવિચ્છેદનું લખાણ આપવું.’ પણ હવે હું તમને કહું છું: જો કોઈ માણસ પોતાની પત્ની વ્યભિચારી ન હોય છતાં તેનાથી લગ્નવિચ્છેદ કરે અને તે સ્ત્રી બીજા પુરુષ સાથે ફરી લગ્ન કરે તો પહેલો પતિ પત્નીની પાસે વ્યભિચાર કરાવવા બદલ દોષિત છે. વળી, જે પુરુષ એવી લગ્નવિચ્છેદ પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે. ભૂતકાળમાં માણસોને જે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે: ’પ્રભુ સમક્ષ લીધેલી માનતા તારે તોડવી નહિ; પણ તે પાળવી.’ પણ હવે હું તમને કહું છું: જ્યારે તમે માનતા લો ત્યારે સોંગદ ખાશો નહિ. આકાશના સોંગદ નહિ, કારણ, તે ઈશ્વરનું રાજ્યાસન છે; પૃથ્વીના નહિ, કારણ, તે તેમનું પાયાસન છે. યરુશાલેમના નહિ, કારણ, તે મહાન રાજા દાવિદનું શહેર છે. તમારા માથાના પણ સોંગદ ખાવા નહિ, કારણ, તમે પોતાની જાતે માથાનો એક વાળ પણ ધોળો કે કાળો કરી શક્તા નથી. તેથી તમે ’હા’ કહો તો ’હા’ અને ’ના’ કહો તો ’ના’; એ સિવાય બીજો કંઈ પણ જવાબ તમે આપો તો તે શેતાન તરફથી છે. આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે: ’આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત.’ પણ હવે હું તમને કહું છું: જો કોઈ તમને નુક્સાન કરે તો વેર વાળશો નહિ. જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેને ડાબો ગાલ પણ ધરો. અને જો કોઈ તમારો કોટ પડાવી લેવા તમને કોર્ટમાં લઈ જાય તો તેને તમારું ખમીસ પણ ઉતારીને આપી દો. જો કોઈ તમને તેનો સામાન એક કિલોમીટર સુધી ઊંચકી લેવાની ફરજ પાડે તો તેની સાથે બે કિલોમીટર સુધી ઊંચકીને જાઓ. જો કોઈ તમારી પાસે માગે તો તેને આપો અને જો કોઈ ઉછીનું લેવા આવે તો ના પાડશો નહિ. આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું તે તો તમે સાંભળ્યું હશે: ’તમારા મિત્રો પર પ્રેમ રાખો અને દુશ્મનોનો ધિક્કાર કરો.’ પણ હવે હું તમને કહું છું: તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તમને સતાવનારા માટે પ્રાર્થના કરો, જેથી તમે આકાશમાંના ઈશ્વરપિતાના પુત્રો બની રહો. કારણ, તે ભલા તથા ભૂંડા બંને પર સૂર્યને ઉગાવે છે. તેમ જ સારું કરનાર તથા ખરાબ કરનાર બંને પર વરસાદ વરસાવે છે. જેઓ તમારા પર પ્રેમ કરે, તેમના પર જ તમે પ્રેમ કરો તેમાં ઈશ્વર તમને શો બદલો આપે? તેવું તો નાકાદારો પણ કરે છે! જો તમે તમારા મિત્રોને જ શુભેચ્છા પાઠવો તો તેમાં તમે વિશેષ શું કરો છો? બિનયહૂદીઓ પણ તેવું કરે છે! પણ તમારે તો જેમ આકાશમાંના તમારા ઈશ્વર પિતા સંપૂર્ણ છે તેમ સંપૂર્ણ બનવું જોઈએ. લોકો તમને જુએ એ હેતુથી તમારાં ધર્મકાર્યો જાહેરમાં કરવા વિષે સાવધ રહો. જો તમે તમારાં ધર્મકાર્યો જાહેરમાં કરો તો આકાશમાંના તમારા ઈશ્વરપિતા તમને કંઈ બદલો આપશે નહિ. આથી જો તમે દાન કરો તો દંભીઓ જેમ ભજનસ્થાનોમાં અને રસ્તામાં કરે છે તેમ બહુ મોટો દેખાવ કરશો નહિ. લોકો તેમનાં વખાણ કરે માટે તેઓ એવું કરે છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂક્યો છે! પણ તમે દાન કરો ત્યારે એવી રીતે કરો કે તમારો જમણો હાથ શું આપે છે તે તમારો ડાબો હાથ પણ ન જાણે. પણ તે ગુપ્ત બાબત રહે. તમે જે દાન કરો છો તે ગુપ્તમાં પણ જોનાર તમારા ઈશ્વરપિતા તેનો બદલો તમને આપશે. જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે દંભીઓની માફક દેખાવ ન કરો. તેમને ભજનસ્થાનમાં અને ધોરી રસ્તાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ગમે છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂકયો છે! પણ જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ, તેનું બારણું બંધ કરો અને તમારા અદૃશ્ય ઈશ્વરપિતાને પ્રાર્થના કરો. તમે એકાંતમાં જે પ્રાર્થના કરો છો તે ગુપ્તમાં પણ જોનાર તમારા ઈશ્વરપિતા તેનો બદલો તમને આપશે. તમારી પ્રાર્થનામાં નિરર્થક બકવાટ ન કરો. તેવું તો વિધર્મીઓ કરે છે, અને તેઓ માને છે કે લાંબી પ્રાર્થના કરવાથી ઈશ્વર તેમનું સાંભળશે. તમે તેમના જેવા ન થાઓ. કારણ, તમે પ્રાર્થના કરો તે પહેલાં તમારા ઈશ્વરપિતાને ખબર છે કે તમને કઈ કઈ વસ્તુઓની જરૂર છે. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: આકાશમાંના અમારા ઈશ્વરપિતા, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ. તમારું રાજ આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ. અમારો જરૂરી ખોરાક આજે અમને આપો. અમે જેમ બીજાઓના અપરાધ માફ કરીએ છીએ, તે જ પ્રમાણે તમે અમારા અપરાધોની માફી આપો. અમારી કપરી ક્સોટી થવા દેશો નહિ, પણ અમને શેતાનથી બચાવો. [કારણ, રાજ્ય, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારાં છે, આમીન.] જો તમે બીજાઓના અપરાધ માફ કરશો તો આકાશમાંના તમારા ઈશ્વરપિતા પણ તમને માફ કરશે. પણ જો તમે બીજાઓના અપરાધ માફ નહિ કરો, તો આકાશમાંના તમારા ઈશ્વરપિતા પણ તમને માફ નહિ કરે. જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારો ચહેરો ઉદાસ ન લો. એવું તો ઢોગીંઓ કરે છે. તેઓ બધે ઉદાસ ચહેરે ફરે છે, જેથી જેઓ તેમને જુએ તેમને ખબર પડે કે તેઓ ઉપવાસ પર છે. હું તમને સાચે જ કહું છું: તેમને તો બદલો મળી ચૂક્યો છે. જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારો ચહેરો ધોઈ નાખો, અને તેલ ચોળી તમારા વાળ હોળવો. જેથી તમે ઉપવાસ પર છો તેની ખબર બીજાઓને નહિ, પણ તમારા અદૃશ્ય ઈશ્વરપિતાને પડે. તમે જે ઉપવાસ કરો છો તે ગુપ્તમાં જોનાર તમારા ઈશ્વરપિતા તેનો બદલો તમને આપશે. આ પૃથ્વી પર તમે ધન એકઠું ન કરો; જ્યાં કીડા અને કાટ તેનો નાશ કરે છે, અને લૂંટારાઓ લૂંટી જાય છે. પણ તમે આકાશમાં ધન એકઠું કરો કે જ્યાં કીડા કે કાટ નાશ કરી શક્તા નથી અને લૂંટારાઓ લૂંટી શક્તા નથી. કારણ, જ્યાં તમારું ધન હશે ત્યાં જ તમારું મન રહેશે. આંખ શરીરને માટે પ્રકાશરૂપ છે. જો તમારી આંખ નિર્મળ હોય તો તમારું સમગ્ર શરીર પ્રકાશમય રહેશે. પણ જો તમારી આંખ મલિન હોય તો તમારું સમગ્ર શરીર અંધકારરૂપ રહેશે. તેથી તમારામાં જે પ્રકાશ છે તે અંધકારમય હોય તો તે કેવો ઘોર અંધકાર હશે! કોઈપણ વ્યક્તિ બે શેઠની નોકરી કરી શકે નહિ. એકના પર તે પ્રેમ કરશે ને બીજાને ધિક્કારશે. એકને તે વફાદાર રહેશે ને બીજાને વફાદાર નહીં રહે. એ જ પ્રમાણે ઈશ્વર અને પૈસાની પૂજા તમારાથી કરી શકાય નહિ. એ માટે હું કહું છું: જીવવા માટે ખાવાપીવાની અને શરીર માટે વસ્ત્રોની ચિંતા ન કરો. શું જીવન ખોરાક કરતાં વધુ કીમતી નથી? અને શરીર વસ્ત્રો કરતાં વધુ મૂલ્યવાન નથી? આકાશમાં ઊડતાં પંખીઓ જુઓ! તેઓ બી વાવતાં નથી કે કાપણી કરીને કોઠાર ભરતાં નથી; છતાં આકાશમાંના તમારા ઈશ્વરપિતા તેમની કાળજી રાખે છે. શું તમે પંખીઓ કરતાં વધુ મૂલ્યવાન નથી? ચિંતા કર્યા કરવાથી તમારામાંનો કોણ પોતાના આયુષ્યમાં થોડીક વધુ ક્ષણો ઉમેરી શકે છે? વળી, તમે વસ્ત્રોની ચિંતા કેમ કરો છો? વનવડાનાં ફૂલો કેવાં ખીલે છે તે જુઓ! તેઓ શ્રમ કરતાં નથી કે પોતાને માટે કપડાં સીવતાં નથી. હું તમને કહું છું કે શલોમોન રાજા ઘણો ધનવાન હોવા છતાં તેની પાસે આ ફૂલો જેવાં સુંદર કપડાં નહોતાં! આ જંગલી ઘાસ જે આજે છે, કાલે સુકાઈ જવાનું ને પછી બાળી નંખાવાનું છે તેને ઈશ્વર આટલું સજાવે છે, તો શું તે તમને વસ્ત્રો નહીં પહેરાવશે? તેથી ’મને ખાવાપીવાનું અને પહેરવાનું ક્યાંથી મળશે?’ એમ કહીને ચિંતા કરશો નહિ. આ બાબતોની ચિંતા નિષ્ઠાહીનો જ કર્યા કરે છે. તમારા આકાશમાંના ઈશ્વરપિતાને ખબર છે કે તમને આ બધાની જરૂર છે. એટલે આ બધા કરતાં ઈશ્વરના રાજની અને તેમની માગણી પ્રમાણે વર્તવાની ઉત્કંઠા રાખો, એટલે તે ઉપરાંત તમને આ બધી બાબતો અપાશે. આથી આવતી કાલની ચિંતા ન કરો. આવતી કાલને પોતાની ચિંતા હશે. પ્રત્યેક દિવસની જે મુશ્કેલીઓ છે તેમાં વધારો કરવાની જરૂર નથી. બીજાઓનો ન્યાય ન કરો, જેથી ઈશ્વર પણ તમારો ન્યાય ન કરે. જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે ઈશ્વર પણ તમારો ન્યાય કરશે, અને જે ધારાધોરણો તમે બીજાઓને માટે વાપરો છો તે જ તેઓ તમારે માટે વાપરશે. તું તારા ભાઈની આંખમાં તણખલું જુએ છે અને તારી પોતાની જ આંખમાં પડેલો લાકડાનો ભારટિયો કેમ જોતો નથી? તારી પોતાની જ આંખમાં લાકડાનો ભારટિયો હોવા છતાં તું તારા ભાઈને એમ કહેવાની હિંમત કેમ કરે છે કે, ’મને તારી આંખમાંથી તણખલું કાઢવા દે!’ ઓ ઢોગીં! તારી પોતાની આંખમાંથી એ લાકડાનો ભારટિયો પ્રથમ કાઢી લે, અને ત્યાર પછી જ તને તારા ભાઈની આંખમાંનું તણખલું કાઢવાનું સારી રીતે સૂઝશે. પવિત્ર વસ્તુ કૂતરાંની આગળ ન નાખો; તેઓ તો તમારી સામા થઈને ફાડી ખાશે. વળી, તમારાં મોતી ભૂંડની આગળ વેરશો નહિ; તેઓ તો તેને પગ તળે ખૂંદશે. માગો તો તમને મળશે, શોધો તો તમને જડશે અને ખટખટાવો તો તમારે માટે ઉઘાડવામાં આવશે. કારણ, જે કોઈ માગે છે તેને મળે છે, શોધે છે તેને જડે છે અને ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે. તમારામાંથી શું કોઈ પિતા પોતાનો પુત્ર રોટલી માગે ત્યારે પથરો આપશે? અથવા જ્યારે તે માછલી માગે ત્યારે સાપ આપશે? આમ, દુષ્ટ હોવા છતાં તમે તમારાં બાળકોને સારી વસ્તુઓ આપી જાણો છો, તોપછી તમારા આકાશમાંના ઈશ્વરપિતા જેઓ તેમની પાસે માગણી કરે છે તેમને તેથી વધારે સારી બાબતો નહીં આપે? બીજાઓ પાસે જેવા વર્તાવની તમે અપેક્ષા રાખો છો, તેવો વર્તાવ તમે કરો. મોશેના નિયમશાસ્ત્ર અને સંદેશવાહકોના શિક્ષણનો સાર આ જ છે. સાંકડા પ્રવેશદ્વારની મારફતે પ્રવેશ કરો. કારણ, વિનાશમાં લઈ જનાર પ્રવેશદ્વાર પહોળું અને માર્ગ સરળ છે અને તેના પર મુસાફરી કરનારા ઘણા છે. જીવનમાં લઈ જનાર પ્રવેશદ્વાર સાંકડું અને માર્ગ મુશ્કેલ છે અને બહુ જ થોડા તેને શોધી શકે છે. જુઠ્ઠા સંદેશવાહકોથી સાવધ રહો. બહારથી તો તેઓ ઘેટા જેવો દેખાવ કરીને આવે છે, પણ અંદરથી તેઓ ફાડી ખાનાર વરૂના જેવા હોય છે. તેમના વર્તનરૂપી ફળ પરથી તમે તેમને ઓળખી શકશો. કાંટાના વૃક્ષને દ્રાક્ષ લાગતી નથી, અને થોર પર અંજીર પાક્તાં નથી. સારા ગુણ ધરાવતું વૃક્ષ સારું ફળ આપે છે, પણ ખરાબ ગુણ ધરાવતું વૃક્ષ ખરાબ ફળ આપે છે. જે સારું વૃક્ષ છે તે ખરાબ ફળ આપી શકે નહિ અને ખરાબ વૃક્ષ સારું ફળ આપી શકે નહિ. જે કોઈ વૃક્ષ સારું ફળ આપી શકતું નથી તેને કાપી નાખવામાં આવે છે, અને અગ્નિમાં બાળી નાખવામાં આવે છે. આમ, તમે જુઠ્ઠા સંદેશવાહકોને તેમના વર્તન પરથી ઓળખી શકશો. જે કોઈ મને ’પ્રભુ, પ્રભુ’ કહીને પોકારે છે તે બધા ઈશ્વરના રાજમાં પ્રવેશ કરશે તેવું નથી. પણ જે કોઈ મારા આકાશમાંના ઈશ્વરપિતાની ઇચ્છાને અનુસરે છે તેઓ જ પ્રવેશ કરશે. તે દિવસે ઘણા મને કહેશે, ’પ્રભુ, પ્રભુ! તમારે નામે અમે ઈશ્વરનો સંદેશો પ્રગટ કર્યો હતો, ઘણા અશુદ્ધ આત્માઓને કાઢયા હતા અને ઘણા ચમત્કારો કર્યા હતા!’ ત્યારે હું તેમને જવાબ આપીશ, ’હું તમને ઓળખતો નથી. ઓ દુરાચારીઓ, મારાથી દૂર જાઓ.’ જે કોઈ મારા આ શબ્દો સાંભળીને તેને પાળે છે તેને એક શાણો માણસ, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું તેની સાથે હું સરખાવીશ. પુષ્કળ વરસાદ વરસ્યો, નદીઓમાં પૂર આવ્યાં અને તે ઘર પર જોરશોરથી પવનના સપાટા લાગ્યા, પણ તે પડી ગયું નહિ. કારણ, તેનો પાયો ખડક પર હતો. પણ જે કોઈ મારા આ શબ્દો સાંભળીને તેને પાળતો નથી તેને એક મૂર્ખ માણસ, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું તેની સાથે હું સરખાવીશ. પુષ્કળ વરસાદ વરસ્યો, નદીઓમાં પૂર આવ્યાં અને તે ઘર પર જોરશોરથી પવનના સપાટા લાગ્યા અને તે પડી ગયું. આ પતન કેવું ભયંકર હતું! ઈસુએ આ બાબતો જણાવી પોતાનું વચન સમાપ્ત કર્યું. તેમના શિક્ષણથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ, નિયમશાસ્ત્રના શિક્ષકોની જેમ નહિ, પણ પૂરા અધિકારથી તેમણે શિક્ષણ આપ્યું. ઈસુ ટેકરી પરથી ઊતરી આવ્યા ત્યારે વિશાળ જનસમુદાય તેમની પાછળ ચાલ્યો આવતો હતો. એક રક્તપિત્તિયો તેમની પાસે આવ્યો, અને તેમની સમક્ષ ધૂંટણે પડીને કહ્યું, પ્રભુ, જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો. ઈસુએ પોતાના હાથ લંબાવીને તેને સ્પર્શ કર્યો અને કહ્યું, હું ઇચ્છું છું, તું શુદ્ધ થા. અને તરત જ તે રક્તપિત્તમાંથી સાજો થયો. પછી ઈસુએ તેને કહ્યું, સાંભળ! કોઈને કહીશ નહિ, પણ પ્રથમ યજ્ઞકાર પાસે જા અને તેને તારી તપાસ કરવા દે. ત્યાર પછી મોશેએ ઠરાવેલો અર્પણવિધિ કર; જેથી બધાની સમક્ષ એ સાબિત થાય કે તું હવે શુદ્ધ થયો છે. ઈસુએ કાપરનાહુમમાં પ્રવેશ કર્યો અને એક રોમન સૂબેદારે તેમની પાસે આવીને મદદ માગી. પ્રભુ, મારો નોકર ઘેર લકવાના ભયંકર દુ:ખથી પીડાય છે. ઈસુએ જવાબ આપ્યો, હું ત્યાં આવીને તેને સાજો કરીશ. સૂબેદારે કહ્યું, ના, પ્રભુ, તમે મારે ઘેર આવો એવો હું યોગ્ય નથી. તમે ફક્ત આજ્ઞા કરો, એટલે મારો નોકર સાજો થઈ જશે. મારા ઉપર પણ ઉપરી અધિકારીઓની સત્તા છે, અને મારા હાથ નીચે સૈનિકો છે. એકને હું હુકમ કરુ છું, ’જા’, એટલે તે જાય છે. બીજાને કહું છું, ’આવ’, એટલે તે આવે છે અને મારા નોકરને કહું છું, ’આ પ્રમાણે કર’ એટલે તે તે પ્રમાણે કરે છે. ઈસુએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયા અને જે લોકો તેમની સાથે હતા તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: ઇઝરાયલી લોકોમાં પણ આ માણસના જેવો વિશ્વાસ મેં કદી જોયો નથી. ઘણા પૂર્વ અને પશ્ચિમમાંથી ઈશ્વરના રાજ્યમાં આવીને અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબની સાથે જમવા બેસશે. પણ જેઓ રાજ્યમાં હોવા જોઈએ તેમને બહાર અંધકારમાં નાખી દેવામાં આવશે; જ્યાં તેઓ રડશે ને દાંત કટકટાવશે. ઈસુએ સૂબેદારને કહ્યું, ઘેર જા; તારા વિશ્વાસ પ્રમાણે કરવામાં આવશે. તે જ ક્ષણે તે સૂબેદારનો નોકર સાજો થયો. ઈસુ પિતરને ઘેર ગયા. ત્યાં પિતરની સાસુને તાવ આવ્યો હોવાથી તે પથારીવશ હતી. તેમણે તેના હાથને સ્પર્શ કર્યો એટલે તેનો તાવ ઊતરી ગયો. તે સાજી થઈ અને તેમની સેવા કરવા લાગી. સાંજ પડતાં અશુદ્ધ આત્મા વળગેલા ઘણા માણસોને લોકો ઈસુની પાસે લાવ્યા. ઈસુએ શબ્દમાત્રથી અશુદ્ધ આત્માઓને કાઢી મૂક્યા અને જે બીમાર હતા તે બધાને સાજા કર્યા. યશાયા સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય માટે એમ બન્યું: તેણે જાતે જ આપણાં દર્દ લઈ લીધાં અને આપણા રો દૂર કર્યા. ઈસુએ તેમની આસપાસ ઘણા લોકો જોયા. તેથી તેમણે પોતાના શિષ્યોને સરોવરને સામે કિનારે જવા આજ્ઞા આપી. નિયમશાસ્ત્રનો એક શિક્ષક તેમની પાસે આવ્યો અને કહ્યું, ગુરુજી, તમે જ્યાં જશો ત્યાં હું તમારી સાથે આવવા તૈયાર છું. ઈસુએ તેને જવાબ આપ્યો, શિયાળવાંને રહેવા માટે બોડ હોય છે, અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, પણ માનવપુત્રને માથું ટેકવીને આરામ કરવાનું કોઈ સ્થાન નથી. બીજા એક શિષ્યે કહ્યું, પ્રભુ, મને પ્રથમ મારા પિતાનું દફન કરવા જવા દો, અને હું પાછો આવીશ. ઈસુએ કહ્યું, મને અનુસર, મરેલાને દફનાવવાનું મરેલાંઓ ઉપર છોડી દે. ઈસુ હોડીમાં ચઢયા અને તેમના શિષ્યો પણ સાથે ગયા. એકાએક સરોવરમાં મોટું તોફાન થયું. તેથી મોજાંઓ હોડીમાં આવવા લાગ્યાં. પણ ઈસુ તો ઊંઘી ગયા હતા. શિષ્યો તેમની પાસે ગયા અને તેમને જાડીને કહ્યું, પ્રભુ, અમને બચાવો, અમે મરી જવાની તૈયારીમાં છીએ. ઈસુએ જવાબ આપ્યો, ઓ અલ્પ-વિશ્વાસીઓ, તમને શા માટે બીક લાગી? ત્યાર પછી તે ઊભા થયા અને પવન તથા મોજાંને હુકમ કર્યો અને ાઢ શાંતિ થઈ. બધાને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, આ કેવા પ્રકારની વ્યક્તિ છે કે, પવન અને મોજાં પણ તેમની આજ્ઞા માને છે! ઈસુ ાડરેનેસના દેશમાં આવ્યા. આ દેશ સરોવરને સામે કિનારે આવેલો છે. ત્યાં કબર તરીકે વપરાતી ગુફાઓમાંથી બે માણસો નીકળી આવ્યા. તેમને ઈસુનો ભેટો થઈ ગયો. આ બંનેને અશુદ્ધ આત્મા વળગેલા હતા અને તેમની એવી ધાક હતી કે કોઈ તે માર્ગે મુસાફરી કરવાની હિંમત કરતું નહિ. તેમણે એકાએક બૂમ પાડી, ઓ ઈશ્વરપુત્ર, અમારે અને તમારે શું લો વળે? અમારો સમય પૂરો થાય તે પહેલાં તમે અમને રિબાવવા આવ્યા છો? ત્યાંથી થોડે દૂર ભૂંડોનું એક ટોળું ચરતું હતું. અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી, જો તમે અમને કાઢવા જ માગો છો તો પછી અમને ભૂંડોના ટોળામાં જવાની પરવાની આપો. ઈસુએ જવાબ આપ્યો, જાઓ. તેથી તેઓ નીકળી જઈને ભૂંડોમાં દાખલ થયા. ભૂંડોનું આખું ટોળું ઊંચેથી સરોવરમાં ધસી પડયું અને ડૂબી યું. ભૂંડો સાચવનારા શહેરમાં નાસી ગયા અને ત્યાં તેમણે બધી હકીક્ત જણાવી અને અશુદ્ધ આત્મા વળગેલા માણસોનું શું થયું હતું તે પણ જણાવ્યું. તેથી શહેરમાંથી બધા ઈસુને મળવા ગયા. જ્યારે તેઓ તેમને મળ્યા ત્યારે તેમણે તેમને તેમનો દેશ છોડીને જતા રહેવા વિનંતી કરી. ઈસુ હોડીમાં બેસીને સરોવરને પેલે પાર પોતાના નગરમાં ગયા. કેટલાક લોકો લકવાવાળા માણસને પથારી સાથે જ ઉપાડી લાવ્યા. તેઓનો વિશ્વાસ લક્ષમાં લઈને ઈસુએ લકવાવાળા માણસને કહ્યું, દીકરા, હિંમત રાખ, તારાં પાપ માફ કરવામાં આવે છે. નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો ત્યાં હતા. તેઓ મનોમન બબડયા, આ માણસ ઈશ્વરની નિંદા કરે છે! તેઓ જે વિચાર કરતા હતા તે ઈસુ જાણી ગયા. તેથી તેમણે કહ્યું, શા માટે તમે આવી દુષ્ટ વાત વિચારો છો? શું કહેવું વધારે સરળ છે? ’તારાં પાપ તને માફ કરવામાં આવે છે’ તે કે, ’ઊભો થઈને ચાલ’ તે? હું એ સાબિત કરી બતાવીશ કે માનવપુત્રને પૃથ્વી પર પાપ માફ કરવાની સત્તા છે. તેથી તેમણે પેલા લકવાવાળાને કહ્યું, ઊભો થા, તારી પથારી ઊંચકીને તારે ઘેર જા. તે માણસ ઊભો થયો અને પોતાને ઘેર ગયો. એ જોઈને લોકો ડઘાઈ ગયા અને માણસોને આવો અધિકાર આપનાર ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. ઈસુ એ સ્થળેથી થોડે આગળ ચાલ્યા. તેમણે માથ્થી નામે એક નાકાદારને જકાતનાકા પર બેઠેલો જોયો. ઈસુએ તેને કહ્યું, મને અનુસર. માથ્થી ઊભો થયો અને ઈસુની પાછળ ચાલવા લાગ્યો. ઈસુ ભોજન માટે ઘરમાં ગયા. ત્યાં ઘણા નાકાદારો, સમાજમાંથી બહિકૃત થયેલાઓ તથા ઈસુના શિષ્યો ભોજન લઈ રહ્યા હતા. કેટલાક ફરોશીપંથના લોકોએ એ જોઈને ઈસુના શિષ્યોને કહ્યું, તમારા ગુરુ આવા લોકો સાથે ભોજન કેમ લે છે? એ સાંભળીને ઈસુએ જવાબ આપ્યો, જેઓ તંદુરસ્ત છે તેમને વૈદની જરૂર નથી, પણ ફક્ત જેઓ બીમાર છે તેમને જ છે. જાઓ, અને આ શાસ્ત્રવચનનો શો અર્થ થાય તે તમે જાતે જ શોધી કાઢો: ’પ્રાણીઓનાં બલિદાન કરતાં હું દયા ચાહું છું.’ હું સદાચારી ગણાતા લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું. ત્યાર પછી યોહાનના શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો તો ઉપવાસ કરતા જ નથી. એવું કેમ? ઈસુએ જવાબ આપ્યો, જ્યાં સુધી વરરાજા સાથે છે ત્યાં સુધી લગ્નસમારંભમાં આવેલા મહેમાનો દુ:ખી બને એવું શું તમે વિચારી શકો છો? ના, એમ ન બને. પણ એવો સમય આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે. જૂના વસ્ત્ર પર થીંડું મારવા માટે નવા કાપડનો ઉપયોગ કોઈ કરતું નથી, કારણ, એવું થીંડું તો સંકોચાઈને પેલા વસ્ત્રને ફાડશે અને એમ તે વધારે ફાટશે. તે જ પ્રમાણે જૂની મશકોમાં કોઈ નવો દારૂ ભરતું નથી. જો તેમ કરવામાં આવે તો મશક ફાટી જશે, દારૂ ઢળી જશે અને મશકનો નાશ થશે. એને બદલે, નવો દારૂ નવી મશકોમાં ભરવામાં આવે છે; જેથી બંને સચવાય છે. જ્યારે ઈસુ તેમને એ કહી રહ્યા હતા ત્યારે એક યહૂદી અધિકારીએ આવીને તેમના ચરણોમાં ઢળી પડીને કહ્યું, મારી પુત્રી હમણાં જ મરણ પામી છે; પણ તમે આવીને તેના પર તમારો હાથ મૂકો કે તે જીવતી થાય. તેથી ઈસુ તેની સાથે ગયા. શિષ્યો પણ સાથે હતા. એક સ્ત્રીને બાર વરસથી રક્તસ્રાવનો રોગ થયો હતો. તેણે ઈસુની પાસે આવીને તેમના ઝભ્ભાની કિનારને સ્પર્શ કર્યો. તેણે મનમાં વિચાર્યું હતું કે જો હું ફક્ત તેમના ઝભ્ભાને સ્પર્શ કરીશ તો પણ સાજી થઈ જઈશ. ઈસુએ પાછા ફરીને તેને જોઈને કહ્યું, દીકરી, હિંમત રાખ! તારા વિશ્વાસને લીધે તું સાજી થઈ છે. એ જ ક્ષણે તે સ્ત્રી સાજી થઈ. ઈસુ અધિકારીના ઘરમાં ગયા. તેમણે શોકીત ગાનારાઓને અને રોકકળ કરતા લોકોને જોયા, ત્યારે તેમણે કહ્યું, બધા બહાર નીકળી જાઓ. છોકરી મરી નથી ગઈ; પણ ઊંઘે છે. બધાએ ઈસુને હસી કાઢયા. લોકોને બહાર કાઢી મૂકીને ઈસુ તરત જ છોકરીના ઓરડામાં ગયા, અને તેનો હાથ પકડીને તેને બેઠી કરી. આ સમાચાર આખા દેશમાં સરી ગયા. ઈસુ એ સ્થળેથી આગળ ચાલ્યા. બે અંધજનો પણ તેમની પાછળ પાછળ ગયા. તેમણે બૂમ પાડી, હે દાવિદપુત્ર, અમારા પર દયા કરો. ઈસુ ઘરમાં ગયા એટલે બંને અંધજનો તેમની પાસે આવ્યા. ઈસુએ તેમને પૂછયું, હું તમને દેખતા કરી શકું એવો તમને વિશ્વાસ છે? તેમણે જવાબ આપ્યો, હા, પ્રભુ. પછી ઈસુએ તેમની આંખોને સ્પર્શ કર્યો અને કહ્યું, તમારા વિશ્વાસ પ્રમાણે થાઓ. અને તેમને દૃષ્ટિ પાછી મળી. ઈસુએ તેમને સખત આજ્ઞા આપી, જોજો, આ વાત કોઈને જણાવશો નહિ. પણ તેમણે બહાર જઈને દેશમાં તેમની કીર્તિ ચોમેર ફેલાવી દીધી. તેઓ બહાર નીકળતા હતા તેવામાં જ એક મૂગાં માણસને ઈસુની પાસે લાવવામાં આવ્યો. તેને અશુદ્ધ આત્મા વળેલો હોવાથી તે બોલી શક્તો નહોતો. જેવો અશુદ્ધ આત્મા હાંકી કાઢવામાં આવ્યો કે તરત જ તે માણસ બોલવા લાગ્યો. જનસમુદાયે આશ્ચર્યચકિત થઈને કહ્યું, ઇઝરાયલમાં આવું કદી અમે જોયું નથી. પણ ફરોશીઓએ કહ્યું, એ તો ભૂતોનો સરદાર તેમને ભૂત કાઢવાની શક્તિ આપે છે. ઈસુ બધાં નગરો અને ગામડાંઓની મુલાકાત લેતા ફર્યા. તેમણે તેમનાં ભજનસ્થાનમાં શિક્ષણ આપ્યું, ઈશ્વરના રાજનો શુભસંદેશપ્રગટ કર્યો અને બધા પ્રકારના રોગ અને માંદગીમાં પીડાતા માણસોને સાજા કર્યા. લોકોનાં ટોળાં જોતાં જ તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. કારણ, લોકો કચડાયેલા, નિરાધાર અને પાલક વરનાં ઘેટાં જેવા હતા. તેથી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ફસલ પુષ્કળ છે, પણ તે એકઠી કરવા માટે મજૂરો બહુ જ થોડા છે. તેથી તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે તેમની ફસલ લણવાને માટે મજૂરો મોકલી આપે. ઈસુએ પોતાના બાર શિષ્યોને બોલાવ્યા અને તેમને અશુદ્ધ આત્માઓ કાઢવાનો અને બધા પ્રકારનાં દર્દ તથા માંદગીથી પીડાતા માણસોને સાજા કરવાનો અધિકાર આપ્યો. બાર પ્રેષિતોનાં નામ આ પ્રમાણે છે: પ્રથમ સિમોન પિતર અને તેનો ભાઈ આંદ્રિયા; ઝબદીનો પુત્ર યાકોબ અને તેનો ભાઈ યોહાન. ફિલિપ અને બારથોલમી, થોમા અને માથ્થી નાકાદાર, આલ્ફીનો પુત્ર યાકોબ અને થાદી, સિમોન ધર્માવેશી અને ઈસુની ધરપકડ કરાવનાર યહૂદા ઈશ્કારિયોત. ઈસુએ આ બાર પ્રેષિતોને આવી સૂચનાઓ આપી મોકલ્યા: કોઈ બિનયહૂદી દેશમાં કે સમરૂનનાં નગરોમાં જશો નહિ. એને બદલે, ઇઝરાયલના લોકો જે ખોવાઈ ગયેલાં ઘેટાં જેવા છે તેમની પાસે જાઓ; જઈને આ પ્રમાણે ઘોષણા કરો, ’ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે.’ માંદાંઓને સાજાં કરો, મરેલાંઓને સજીવન કરો, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરો અને અશુદ્ધ આત્માઓને હાંકી કાઢો. તમને એ દાન મફત મળેલાં છે; તેથી મફત આપો. તમારા પાકીટમાં સોનારૂપાના કે તાંબાના સિક્કા ન રાખો. મુસાફરીને માટે થેલી ન રાખો; વધારાનું ખમીસ, ચંપલ કે લાકડી ન લો. કામ કરનાર પાલનપોષણને યોગ્ય છે. જ્યારે તમે કોઈ શહેર કે ગામડામાં પ્રવેશ કરો ત્યારે જે કોઈ તમારો આવકાર કરવા તૈયાર હોય તેની શોધ કરો. તે સ્થળ મૂકીને બીજે જાઓ ત્યાં સુધી તેના ઘેર જ રહો. જ્યારે તમે ઘરમાં જાઓ ત્યારે કહો, ’તમને શાંતિ થાઓ.’ જો તે ઘરના લોકો શાંતિચાહક હોય, તો તમારી શાંતિની શુભેચ્છા તેમની સાથે રહેશે. પણ જો તેઓ શાંતિપાત્ર ન હોય, તો તમારી શાંતિની શુભેચ્છા પાછી આવશે. જો કોઈ ઘર કે નગર તમારો આવકાર ન કરે, અથવા તમારું ન સાંભળે, તો તે સ્થળ મૂકીને બીજે જાઓ અને તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખો. હું તમને સાચે જ કહું છું: ન્યાયને દિવસે એ લોકો કરતાં સદોમ અને મોરાના લોકોની દશા વધુ સારી હશે! જુઓ, હું તમને વરૂઓની મધ્યે ઘેટાંના જેવા મોકલું છું. તમે સાપના જેવા ચાલાક ને કબૂતરના જેવા સાલસ બનો. સાવધ રહેજો, કારણ, કેટલાક માણસો તમારી ધરપકડ કરશે, તમને કોર્ટમાં લઈ જશે અને તેમનાં ભજનસ્થાનમાં તમને ચાબખા મારશે. મારે લીધે તમને શાસકો અને રાજાઓની સમક્ષ સજાને માટે લઈ જવામાં આવશે અને તેમને તથા બિનયહૂદીઓને શુભસંદેશ જણાવવાને કારણે એવું બનશે. જ્યારે તમારો ન્યાય કરવામાં આવે ત્યારે શું બોલવું અથવા કેવી રીતે બોલવું તે સંબંધી ચિંતા ન કરો. તમારે જે કહેવાનું છે તે તે જ સમયે તમને આપવામાં આવશે. કારણ, જે શબ્દો તમે બોલશો તે તમારા પોતાના નહિ હોય, પણ તમારા ઈશ્વરપિતાનો પવિત્ર આત્મા તમારા દ્વારા બોલશે. ભાઈ ભાઈને અને પિતા સંતાનને મોતની સજા માટે પકડાવી દેશે. બાળકો પોતાનાં માતાપિતાની વિરુદ્ધ થઈ જશે અને તેમને મારી નંખાવશે. મારે લીધે બધા તમારો તિરસ્કાર કરશે. પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે. જ્યારે એક નગરમાં તમારી સતાવણી થાય, ત્યારે બીજામાં નાસી જાઓ. હું તમને સાચે જ કહું છું: ’માનવપુત્રનું આગમન થાય તે પહેલાં ઇઝરાયલનાં બધાં નગરોમાં તમે તમારું સેવાકાર્ય પૂર્ણ કરી શકશો નહિ.’ કોઈ શિષ્ય પોતાના ગુરુ કરતાં ચઢિયાતો નથી. કોઈ નોકર પોતાના શેઠ કરતાં ચઢિયાતો નથી. તેથી શિષ્ય ગુરુ જેવો અને નોકર શેઠ જેવો બને તો એ ય પૂરતું છે. જો કુટુંબનો વડો બાલઝબૂલ કહેવાયો છે, તો પછી કુટુંબના સભ્યોને તો તેથી પણ વધુ ખરાબ નામથી બોલાવવામાં આવશે. માણસોથી ડરો નહિ. જે ઢંકાયેલું છે તે પ્રગટ કરવામાં આવશે અને દરેક ગુપ્ત વાત જાહેર કરવામાં આવશે. હું તમને અંધકારમાં જે જણાવું છું તે તમે દિવસના પૂર્ણ પ્રકાશમાં જાહેર કરો; અને તમે ખાનગીમાં જે સાંભળો છો તે ઘરના ધાબા પરથી પોકારો. જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શક્તા નથી તેમનાથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો. ચકલી પૈસાની બબ્બે જેવા નજીવા મૂલ્યે વેચાય છે! છતાં તે પણ ઈશ્વરની ઇચ્છા વર જમીન પર પડતી નથી. તમારા માથાના બધા વાળની ગણતરી કરવામાં આવેલી છે. આથી બીક ન રાખો, કારણ, ઘણી ચકલીઓ કરતાં તમે વધુ મૂલ્યવાન છો. જે જાહેર રીતે મારો સ્વીકાર કરે છે તેનો સ્વીકાર હું આકાશમાંના મારા ઈશ્વરપિતા સમક્ષ કરીશ. પણ જે જાહેર રીતે મારો નકાર કરે છે તેનો હું પણ આકાશમાંના મારા ઈશ્વરપિતા સમક્ષ નકાર કરીશ. એમ ન માનશો કે હું પૃથ્વી પર શાંતિ સ્થાપવા આવ્યો છું. હું શાંતિ તો નહિ, પણ તલવાર ચલાવવા આવ્યો છું. પુત્ર પોતાના પિતાની વિરુદ્ધ, પુત્રી પોતાની માતાની વિરુદ્ધ અને વહુ પોતાની સાસુની વિરુદ્ધ થાય તે માટે હું આવ્યો છું. માનવીના સૌથી કટ્ટર દુશ્મનો તો તેના કુટુંબીજનો જ બનશે. મારા કરતાં જે કોઈ પોતાના પિતા કે માતા પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. મારા કરતાં જે કોઈ પોતાના પુત્ર કે પુત્રી પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. જે કોઈ પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરતો નથી તે મારે યોગ્ય નથી. જે કોઈ પોતાનું જીવન બચાવવા યત્ન કરે છે, તે તેને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. જે કોઈ તમારો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે મારો સત્કાર કરે છે, તે મને મોકલનારનો પણ સત્કાર કરે છે. જે કોઈ ઈશ્વરના સંદેશવાહકનો સંદેશવાહક તરીકે સત્કાર કરે છે તેને સંદેશવાહકના હિસ્સામાંથી ભાગ મળશે. જે કોઈ ઈશ્વરભક્તનો ઈશ્વરભક્ત તરીકે સત્કાર કરે છે તેને ઈશ્વરભક્તના હિસ્સામાંથી ભાગ મળશે. હું તમને સાચે જ કહું છું: જે કોઈ આ મારા શિષ્યોમાંના સૌથી નાનાને પણ મારા શિષ્ય તરીકે ઠંડા પાણીનો પ્યાલો આપશે, તો તેને તેનો બદલો મળ્યા વગર રહેશે નહિ. ઈસુએ બાર પ્રેષિતોને સૂચનાઓ આપવાનું પૂરું કર્યું અને તે સ્થળ મૂકીને તેઓ આસપાસનાં શહેરોમાં શિક્ષણ આપતા અને ઉપદેશ કરતા ફર્યા. બાપ્તિસ્મા કરનાર યોહાને જેલમાં ખ્રિસ્તનાં કાર્યો વિષે સાંભળ્યું. તેથી તેણે તેના કેટલાક શિષ્યોને ઈસુ પાસે પૂછવા મોકલ્યા. તેમણે ઈસુને પૂછયું, આવનાર મસીહ તે તમે જ છો કે પછી અમે બીજા કોઈના આવવાની રાહ જોઈએ? ઈસુએ જવાબ આપ્યો, તમે જે સાંભળો તથા જુઓ, તે પાછા જઈને યોહાનને જણાવો. આંધળા દેખતા થાય છે, લંગંડા ચાલતા થાય છે, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મરણ પામેલાઓને સજીવન કરવામાં આવે છે અને દીનજનોને શુભસંદેશપ્રગટ કરવામાં આવે છે. મારા વિષે જેને કંઈ શંકા નથી તેને ધન્ય છે! યોહાનના શિષ્યો પાછા ફરી રહ્યા હતા ત્યારે યોહાન સંબંધી ઈસુએ જનસમુદાયને પૂછયું, તમે યોહાનની પાસે વેરાન દેશમાં ગયા, ત્યારે શું જોવાની અપેક્ષા રાખી હતી? પવનથી હાલતું ઘાસનું તરણું? તમે શું જોવા ગયા હતા? મુલાયમ વસ્ત્રોમાં સજ્જ થયેલો માણસ? એવાં વસ્ત્રો પહેરનારા તો રાજમહેલમાં રહે છે. તો તમે શું જોવા ગયા હતા? કોઈ સંદેશવાહક? હા, હું તમને કહું છું કે તમે સંદેશવાહક કરતાં પણ મહાન એવી વ્યક્તિને જોવાને ગયા હતા. કારણ, યોહાન વિષે શાસ્ત્રમાં લખેલું છે, ’ઈશ્વર કહે છે કે તારે માટે માર્ગ તૈયાર કરવાને હું તારી પહેલાં મારા સંદેશવાહકને મોકલું છું. એ તારી આગળ જઈને તારો માર્ગ તૈયાર કરશે.’ હું સાચે જ કહું છું; દુનિયામાં થઈ ગયેલા બધા માણસો કરતાં બાપ્તિસ્મા કરનાર યોહાન મહાન છે, પણ ઈશ્વરના રાજમાં જે સૌથી નાનો છે, તે યોહાન કરતાં મહાન છે. યોહાને તેનો સંદેશ પ્રગટ કરવાની શરૂઆત કરી ત્યારથી આજ સુધી તો ઈશ્વરના રાજ્ય ઉપર બળજબરી થઈ રહી છે અને બળજબરી કરનારાઓ તેનો કબજો લઈ રહ્યા છે. સંદેશવાહકોએ અને મોશેના નિયમશાસ્ત્રે યોહાનના સમય સુધી ઈશ્વરનો સંદેશો આપ્યો હતો. અને તમે તે સંદેશ સ્વીકારતા હો તો યોહાન એ જ આવનાર એલિયા છે કે જેના આગમન વિષે અગાઉથી જાહેરાત કરવામાં આવી હતી. જો તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો. આ જમાનાના લોકોને હું કોની સાથે સરખાવું? તેઓ તો ચોકમાં બેઠેલાં બાળકો જેવા છે. એક જૂથ બીજાને પડકાર ફેંકે છે, ’અમે તમારે માટે લગ્નનું સંગીત વગાડયું, પણ તમે નાચ કર્યો નહિ! અમે મૃત્યુગીત ગાયાં, પણ તમે રુદન કર્યું નહિ!’ યોહાન આવ્યો અને તેણે ઉપવાસ કર્યા, અને દ્રાક્ષાસવ પીધો નહિ; છતાં બધાએ કહ્યું, ’તેનામાં ભૂત છે.’ જ્યારે માનવપુત્ર આવ્યો, ત્યારે તેણે ખાધું તથા પીધું અને બધાએ તેને વિષે કહ્યું, ’આ માણસ તરફ જુઓ. તે તો ખાઉધરો અને દારૂડિયો છે! નાકાદારો અને સમાજમાંથી બહિકૃત થયેલાઓનો મિત્ર છે!’ ઈશ્વરનું જ્ઞાન સાચું છે તે પરિણામથી પરખાય છે. ત્યાર પછી ઈસુ જ્યાં તેમણે તેમના મોટા ભાગના ચમત્કારો કર્યા હતા તેવાં શહેરો તરફ ગયા. કારણ, ત્યાંના લોકો હજુ પોતાનાં પાપથી પાછા ફર્યા ન હતા. ઈસુએ કહ્યું, હાય રે, ખોરાજીન, હાય હાય! હાય રે, બેથસાઈદા, હાય હાય! તમારામાં જે અદ્‌ભૂત કાર્યો કરવામાં આવ્યાં તે જો તૂર અને સિદોનમાં કરવામાં આવ્યાં હોત, તો ત્યાંના લોકોએ ટાટ પહેરીને અને રાખ લાવીને પોતે પાપથી પાછા ફર્યા છે તેમ બતાવ્યું હોત. હું તમને કહું છું: ન્યાયના દિવસે તમારા કરતાં તૂર અને સિદોનના લોકોની દશા વધુ સારી હશે. અને ઓ કાપરનાહુમ, તારે તો આકાશ સુધી ઊંચા થવું હતું ને? તને તો ઊંડાણમાં નાખી દેવામાં આવશે. જે અદ્‌ભૂત કાર્યો કાપરનાહુમમાં કરવામાં આવ્યાં, તે જો સદોમમાં કરવામાં આવ્યાં હોત, તો આજે પણ તેની હયાતી રહી હોત. હું તમને કહું છું: ન્યાયને દિવસે તેનાં કરતાં સદોમની દશા વધુ સારી હશે. આ સમયે ઈસુએ કહ્યું, હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! તમે જ્ઞાની અને સમજુ લોકોથી જે વાતો છુપાવીને બાળકોને પ્રગટ કરી છે તે માટે હું તમારો આભાર માનું છું. પિતાજી, તમને એ ગમ્યું છે. મારા પિતાએ મને બધું સોંપ્યું છે. ઈશ્વરપુત્રને ઈશ્વરપિતા સિવાય કોઈ જાણતું નથી, અને પિતાને પુત્ર અને પુત્ર જેમની સમક્ષ પિતાને પ્રગટ કરે તે સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી. ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો, અને હું તમને આરામ આપીશ. મારી ઝૂંસરી ઉપાડો અને મારી પાસેથી શીખો. કારણ, હું હૃદયનો દીન અને નમ્ર છું, અને તમારા જીવને આરામ મળશે. મારી ઝૂંસરી ઊંચકવામાં સહેલી છે, અને મારો બોજ હળવો છે. ત્યાર પછી ઈસુ વિશ્રામવારે અનાજના ખેતરમાં થઈને જતા હતા. તેમના શિષ્યોને ભૂખ લાગી હતી. આથી તેઓ ડૂંડા તોડીને તેમાંના દાણા ખાવા લાગ્યા. એ જોઈને ફરોશીઓએ ઈસુને કહ્યું, જુઓ, તમારા શિષ્યો આપણા નિયમશાસ્ત્રના શિક્ષણ વિરુદ્ધ જઈને જે કાર્ય વિશ્રામવારે કરવું ઉચિત નથી તે કરી રહ્યા છે! ઈસુએ જવાબ આપ્યો, જ્યારે દાવિદ અને તેના સાથીદારો ભૂખ્યા હતા, ત્યારે તેમણે શું કર્યું હતું તે તમે કદી વાંચ્યું નથી? તે ઈશ્વરના મંદિરમાં ગયો અને ઈશ્વરને અર્પિત કરેલી રોટલી ખાધી. આ રોટલી યજ્ઞકાર સિવાય બીજું કોઈ ખાઈ શકે નહિ તેવું નિયમશાસ્ત્ર શીખવે છે. અથવા, મોશેના નિયમશાસ્ત્રમાં તમે નથી વાંચ્યું કે વિશ્રામવારે મંદિરમાં યજ્ઞકાર વિશ્રામવાર એંના નિયમનો ભંગ કરે છતાં તે નિર્દોષ છે? હું તમને કહું છું કે અહીં મંદિર કરતાં પણ વિશેષ મહાન વ્યક્તિ છે. શાસ્ત્રમાં લખેલું છે, ’પ્રાણીઓનાં બલિદાન કરતાં હું દયા ચાહું છું.’ એનો શો અર્થ થાય એ તમે ખરેખર જાણતા હોત તો પછી તમે નિર્દોષને દોષિત ઠરાવત નહિ. કારણ, માનવપુત્ર વિશ્રામવાર પર પણ પ્રભુત્વ ધરાવે છે. ઈસુ તે સ્થળ મૂકીને યહૂદીઓના એક ભજનસ્થાનમાં ગયા. ત્યાં સુકાઈ ગયેલા હાથવાળો એક માણસ હતો. ઈસુ કંઈક ખોટું કરે તો તેમને દોષિત ઠરાવવા તેમણે ઈસુને પૂછયું, આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે વિશ્રામવારે કોઈને સાજો કરવાની છૂટ છે? ઈસુએ જવાબ આપ્યો, ધારો કે તમારી પાસે એક ઘેટું હોય અને વિશ્રામવારે તે ઊંડા ખાડામાં પડી જાય, તો શું તમે તેને તેમાંથી બહાર નહીં કાઢો? વળી, માણસ તો ઘેટા કરતાં ઘણો વધારે મૂલ્યવાન છે. આમ, આપણા નિયમશાસ્ત્ર અનુસાર વિશ્રામવારે બીજાને મદદ કરવી યોગ્ય છે. ત્યાર પછી તેમણે પેલા માણસને કહ્યું, તારો હાથ લાંબો કર. તેણે પોતાનો હાથ લાંબો કર્યો અને તેનો તે હાથ બીજા હાથ જેવો જ સાજો થઈ ગયો. ફરોશીઓ ચાલ્યા ગયા અને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડી કાઢયું. પણ એ જાણીને ઈસુ તે સ્થળ મૂકીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. ઘણા લોકો તેમની પાછળ ગયા. તેમણે બધા માંદાંઓને સાજાં કર્યાં, અને તેમને વિષે બીજાઓને નહિ જણાવવા હુકમ કર્યો; જેથી ઈશ્વરે યશાયા સંદેશવાહક મારફતે જે કહેલું તે પરિપૂર્ણ થાય: આ મારો પસંદ કરેલો સેવક છે તેના પર મેં પ્રેમ કર્યો છે, અને હું તેના પર પ્રસન્‍ન છું. હું તેનામાં મારો આત્મા મૂકીશ, અને તે બધી જાઓની સમક્ષ મારું ન્યાયશાસન જાહેર કરશે. તે વાદવિવાદ કરશે નહિ, ઘાંટા પાડશે નહિ, અને જાહેરમાં કોઈ તેનો સાદ સાંભળશે નહિ. ન્યાયને વિજયવંત બનાવતાં સુધી તે બરૂની છુંદાયેલી સળીને ભાંગી નાખશે નહિ, અથવા ધૂમાતી દીવેટને હોલવી નાખશે નહિ. બધી પ્રજાઓ તેના નામ પર આશા રાખશે. ત્યાર પછી કેટલાક લોકો એક માણસને ઈસુ પાસે લાવ્યા. તે આંધળો હતો અને તેને અશુદ્ધ આત્મા વળેલો હોવાથી તે બોલી શક્તો ન હતો. ઈસુએ તેને સાજો કર્યો. તેથી તે બોલવા અને જોવા લાગ્યો. લોકોએ આશ્ચર્યચકિત થઈને એકબીજાને કહ્યું, શું તે દાવિદનો પુત્ર છે? એ સાંભળીને ફરોશીઓએ લોકોને જવાબ આપ્યો, આ માણસ તો દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને હાંકી કાઢે છે. તેઓ શો વિચાર કરતા હતા તે ઈસુ જાણતા હતા. તેથી તેમણે તેમને કહ્યું, કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે ઝાઝું ટકતું નથી. એ જ પ્રમાણે કોઈ શહેર કે કુટુંબમાં જૂથ પડી જાય અને અરસપરસ લડવા માંડે તો નક્કી તેનું પતન થાય છે. તેથી શેતાનનું રાજ અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ ગયું હોય, તો તેનું જલદીથી પતન થશે. તમે એમ કહો છો કે બાલઝબૂલે આપેલા અધિકારથી હું દુષ્ટાત્માઓને હાંકી કાઢું છું, તો તમારા અનુયાયીઓ કોના અધિકારથી દુષ્ટાત્માઓને હાંકી કાઢે છે? તમે જુઠ્ઠા છો એવું તમારા અનુયાયીઓ જ સાબિત કરે છે. હું તો ઈશ્વરના આત્માના અધિકારથી દુષ્ટાત્માઓને હાંકી કાઢું છું, અને એથી પુરવાર થાય છે કે ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોંચ્યું છે. બળવાન માણસના ઘરમાં જઈને કોઈ તેને લૂંટી શકતું નથી. તેમ કરતાં પહેલાં તેણે પેલા બળવાન માણસને બાંધી દેવો પડે છે, અને ત્યાર પછી જ તે લૂંટ ચલાવી શકે છે. જે મારા પક્ષનો નથી તે સાચે જ મારી વિરુદ્ધમાં છે. જે મારી સાથે સંગ્રહ કરતો નથી, તે તેને વિખેરી નાખે છે. તેથી હું તમને કહું છું: કોઈ પણ પાપ અને ઈશ્વરનિંદાની માણસને માફી મળશે, પણ પવિત્ર આત્મા વિરુદ્ધ કરેલી નિંદાની માફી મળશે નહિ. જો કોઈ માનવપુત્રની નિંદા કરે તો તેને માફી મળી શકશે, પણ જો કોઈ પવિત્ર આત્માની નિંદા કરે તો તેને વર્તમાનમાં કે આવનાર યુગમાં તેની માફી કદી મળશે નહિ. સારું ફળ મેળવવા માટે વૃક્ષ સારું હોવું જોઈએ. જો વૃક્ષ ખરાબ હોય તો તેનું ફળ ખરાબ આવશે. કારણ, ફળની જાત પરથી વૃક્ષ કેવું છે તેની ખબર પડે છે. ઓ સર્પોના વંશજો, તમે તો ભૂંડા છો, પછી તમે કેવી રીતે સારી વાત કરી શકો? કારણ, જે મનમાં છે તે જ મુખ બોલે છે. સારો માણસ પોતાના સારા ખજાનામાંથી સારી વસ્તુઓ બહાર લાવે છે, પણ દુષ્ટ માણસ પોતાના ખરાબ ખજાનામાંથી ખરાબ વસ્તુઓ બહાર લાવે છે. હું તમને કહું છું: ન્યાયને દિવસે પ્રત્યેક નકામા શબ્દનો તમારે જવાબ આપવો પડશે. કારણ, તમારા શબ્દો પ્રમાણે જ તમારો ન્યાય થશે, અને તેમના ઉપરથી જ તમે નિર્દોષ કે દોષિત જાહેર કરાશો. ત્યાર પછી નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો અને ફરોશીઓએ કહ્યું, ગુરુજી, તમે પુરાવા તરીકે કોઈ ચમત્કાર કરો એવી અમારી માગણી છે. ઈસુએ જવાબ આપ્યો, આ જમાનાના લોકો કેવા દુષ્ટ અને નિષ્ઠાહીન છે! તમે મારી પાસે નિશાની માગો છો? તમને તો સંદેશવાહક યોનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની આપવામાં આવશે નહિ. જેમ યોના મોટી માછલીના પેટમાં ત્રણ રાતદિવસ રહ્યો, તેમ માનવપુત્ર પણ પૃથ્વીના ઊંડાણમાં ત્રણ રાતદિવસ રહેશે. ન્યાયને દિવસે નિનવેહના લોકો તમને દોષિત ઠરાવશે. કારણ, યોનાનો ઉપદેશ સાંભળીને તેઓ પોતાનાં પાપથી પાછા ફર્યા હતા. પણ અહીં યોના કરતાં પણ મહાન એવો એક છે. ન્યાયને દિવસે દક્ષિણની રાણી તમને દોષિત ઠરાવશે. કારણ, શલોમોનની જ્ઞાનવાણી સાંભળવા તે ઘણે દૂરથી આવી હતી. પણ હું તમને કહું છું કે અહીં શલોમોન કરતાં પણ મહાન એવો એક છે. જ્યારે કોઈ માણસમાંથી અશુદ્ધ આત્મા બહાર નીકળી જાય છે, ત્યારે તે વેરાન દેશમાં આરામનું સ્થળ શોધતો ફરે છે. પણ જ્યારે તેને એવું કોઈ સ્થળ મળતું નથી, ત્યારે તે કહે છે, ’મેં જે ઘર ત્યજી દીધું હતું ત્યાં જ હું પાછો જઈશ.’ જ્યારે તે પાછો આવે છે, ત્યારે ઘર ખાલી, સાફસૂફ કરેલું અને વ્યવસ્થિત હોય છે. તેથી તે બહાર જાય છે અને પોતાના કરતાં પણ વધારે ભૂંડા એવા બીજા સાત આત્માઓને પોતાની સાથે લાવે છે અને તેઓ ત્યાં પ્રવેશીને વસવાટ કરે છે. તેથી પેલા માણસની છેલ્લી સ્થિતિ પહેલાંના કરતાં વધારે કફોડી થાય છે. આ જમાનાના દુષ્ટ લોકોની પણ એવી જ દશા થશે. ઈસુ લોકોને સંબોધતા હતા ત્યારે તેમનાં મા અને ભાઈઓ તેમની સાથે વાત કરવા બહાર રાહ જોતાં ઊભાં હતાં. આસપાસ બેઠેલા લોકોમાંથી કોઈએ ઈસુને કહ્યું, તમારાં મા અને ભાઈઓ બહાર તમારી રાહ જુએ છે અને તમારી સાથે વાત કરવા માગે છે. ઈસુએ જવાબ આપ્યો, મારાં મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે? પછી પોતાના શિષ્યો તરફ ફરીને કહ્યું, જુઓ, આ રહ્યાં મારાં મા અને ભાઈઓ! જે કોઈ મારા આકાશમાંના ઈશ્વરપિતાની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે, તે જ મારો ભાઈ, મારી બહેન કે મારાં મા છે. એ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સરોવરને કિનારે ગયા અને ત્યાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ઘણા લોકો એકઠા થયા હોવાથી તે હોડીમાં ચઢી ગયા, જ્યારે લોકો કિનારા પર ઊભા રહ્યા. ઉદાહરણો દ્વારા તેમણે તેમને ઘણી વાતો સમજાવી. એકવાર એક માણસ બી વાવવા ગયો. તેણે ખેતરમાં બી નાખ્યાં. કેટલાંક બી માર્ગની બાજુ પર પડયાં. આકાશનાં પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં. બીજાં કેટલાંક બી ખડકાળ જમીન પર પડયાં. ત્યાં માટી થોડી હતી. માટી ઊંડી ન હોવાથી બી તરત જ ઊગી નીકળ્યાં. સૂર્યનો તાપ પડતાં જ કુમળા છોડ કરમાઈ ગયા અને મૂળ ઊંડાં ન હોવાથી સુકાઈ ગયાં. કેટલાંક બી કાંટાઝાંખરાં મધ્યે પડયાં અને કાંટાઝાંખરાંએ વધીને છોડને દાબી દીધા. પણ કેટલાંક બી સારી જમીનમાં પડયાં અને તેમને દાણા આવ્યા; કેટલાકને સોગણા, કેટલાકને સાઠગણા અને કેટલાકને ત્રીસગણા દાણા આવ્યા. જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. ઈસુના શિષ્યોએ તેમની પાસે આવીને પૂછયું, લોકો સાથે વાત કરતાં તમે ઉદાહરણો કેમ વાપરો છો? ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના રાજનાં માર્મિક સત્યોનું જ્ઞાન લોકોને નહિ, પણ તમને આપવામાં આવ્યું છે. જે માણસની પાસે કંઈક છે, તેને વધારે આપવામાં આવશે, જેથી તેની પાસે પુષ્કળ થશે. પણ જેની પાસે કંઈ નથી, તેની પાસે જે થોડું છે તે પણ લઈ લેવામાં આવશે. હું તેમની સાથે વાત કરતાં ઉદાહરણો વાપરું છું તેનું કારણ આ છે: તેઓ જુએ છે, પણ તેમને સૂઝતું નથી; તેઓ સાંભળે છે, પણ સમજતા નથી; જેથી એમના સંબંધમાં સંદેશવાહક યશાયાએ કહેલી વાત સાચી પડે છે: ’તમે સાંભળ્યા જ કરશો, પણ સમજશા કે નહિ. તમે જોયા જ કરશો, પણ તમને સૂઝશે નહિ. કારણ, આ લોકોનાં મન જડ થઈ ગયાં છે, અને તેમના કાન બહેર મારી ગયા છે, અને તેમણે પોતાની આંખો મીંચી દીધી છે. કદાચ, તેઓ પોતાની આંખોથી જુએ, કાનથી સાંભળે અને મનથી સમજે અને મારી તરફ પાછા ફરે ને હું તેમને સાજા કરું.’ ધન્ય છે તમને કે તમારી આંખો જુએ છે અને તમારા કાન સાંભળે છે. હું તમને સાચે જ કહું છું: તમે જે જુઓ છો તે જોવા અને જે સાંભળો છો તે સાંભળવા ઘણા સંદેશવાહકો અને ઈશ્વરના ઘણા લોકો ઇચ્છતા હતા, પણ તેઓ જોઈ શક્યા કે સાંભળી શક્યા નહોતા. બી વાવનારના ઉદાહરણનો અર્થ સાંભળો: ઈશ્વરના રાજનો સંદેશો સાંભળીને તેને જેઓ સમજી શક્તા નથી તેઓ માર્ગની બાજુમાં પડેલાં બી જેવા છે. શેતાન આવે છે અને જે વાવવામાં આવેલું છે તે છીનવીને લઈ જાય છે. ખડકાળ જમીનમાં પડેલાં બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળતાં આનંદથી સ્વીકારી લે છે. પણ તે સંદેશો તેમનામાં ઊંડે સુધી ઊતરતો નથી, અને તેઓ ઝાઝું ટક્તા નથી. સંદેશાને લીધે જ્યારે વિપત્તિ કે સતાવણી આવે છે ત્યારે તેઓ પાછા પડી જાય છે. કાંટાઝાંખરાં મધ્યે પડેલાં બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળે છે, પણ આ દુનિયાની ચિંતાઓ અને ધન પ્રત્યેનો લોભ સંદેશાને દાબી દે છે અને તેમને ફળ આવતાં નથી. સારી જમીનમાં વાવવામાં આવેલાં બી એવા લોક છે કે જેઓ સંદેશો સાંભળે છે, તેને સમજે છે અને તેમને ફળ આવે છે; કેટલાકને સોગણાં, કેટલાકને સાઠગણાં અને કેટલાકને ત્રીસગણાં. ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ આપ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસે ખેતરમાં સારાં બી વાવ્યાં. એક રાત્રે જ્યારે બધા ઊંઘતા હતા ત્યારે દુશ્મન આવીને ઘઉંની સાથે જંગલી ઘાસનાં બી વાવી ચાલ્યો ગયો. જ્યારે છોડ વધ્યા અને તેને દાણા લાવાના શરૂ થયા ત્યારે જંગલી ઘાસ દેખાઈ આવ્યું. તે માણસના નોકરોએ આવીને તેને કહ્યું, ’સાહેબ, તમે તો ખેતરમાં સારું બી વાવ્યું હતું, તો પછી આ જંગલી ઘાસ આવ્યું ક્યાંથી?’ તેણે જવાબ આપ્યો, ’કોઈ દુશ્મને તે કામ કર્યું છે.’ તેમણે પૂછયું, ’શું અમે જઈને તે જંગલી ઘાસને ઉખાડી નાખીએ?’ તેણે જવાબ આપ્યો, ’ના, કારણ, તમે જંગલી ઘાસ ઉખાડો ત્યારે તેની સાથે કેટલાક ઘઉંના છોડ પણ નીકળી જાય તેમ છે. કાપણી આવે ત્યાં સુધી ઘઉં અને જંગલી ઘાસને સાથે સાથે વધવા દો. કાપણી વખતે હું લણનારા નોકરોને કહીશ: સૌપ્રથમ તમે જંગલી ઘાસના છોડને કાપી નાખો અને અગ્નિમાં બાળી નાખવા તેના ભારા બાંધો અને ત્યાર પછી ઘઉંને એકઠા કરી મારા કોઠારમાં ભરો. ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ કહ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસ રાઈનું બી લઈને તેને ખેતરમાં વાવે છે. બધા પ્રકારનાં બીમાં તે નાનું છે, પણ જ્યારે તે ઊગે છે ત્યારે બધા છોડ કરતાં તેનો છોડ મોટો થાય છે. તેની ડાળીઓ ફેલાય છે અને પક્ષીઓ આવીને તેના પર માળા બાંધી વાસો કરે છે. ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ કહ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક સ્ત્રી ખમીર લઈને ત્રણ માપ લોટમાં ભેળવે છે અને તેથી લોટના સમગ્ર લોંદામાં ખમીર સરી જાય છે. ઈસુએ આ બધું લોકોને ઉદાહરણો દ્વારા કહ્યું. ઉદાહરણનો ઉપયોગ કર્યા સિવાય તે તેમને કોઈ વાત કહેતા નહિ. સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય માટે એમ બન્યું: હું ઉદાહરણોનો ઉપયોગ કરીને તેમની સાથે વાત કરીશ, અને સૃષ્ટિના સરજનકાળથી જે બાબતો છૂપી છે તે હું જાહેર કરીશ. લોકોને વિદાય કરીને ઈસુ ઘરમાં ગયા. તેમના શિષ્યોએ આવીને તેમને કહ્યું, ખેતરમાંના જંગલી ઘાસના ઉદાહરણનો અર્થ અમને સમજાવો. ઈસુએ જવાબ આપ્યો, સારું બી વાવનાર વ્યક્તિ માનવપુત્ર છે. ખેતર દુનિયા છે. સારું બી ઈશ્વરના રાજના લોક છે. જંગલી ઘાસ શેતાનના લોક છે. જંગલી ઘાસ વાવનાર દુશ્મન શેતાન છે. કાપણી દુનિયાનો અંત છે અને લણનાર નોકરો તે દૂતો છે. જેમ જંગલી ઘાસને એકઠું કરીને અગ્નિમાં બાળી નાખવામાં આવે છે તેમ અંતના સમયે પણ થશે. માનવપુત્ર પોતાના દૂતોને મોકલશે, અને તેઓ રાજમાંથી પાપ કરાવનાર અને કરનાર સૌને એકઠા કરશે. પછી તેઓ તેમને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેશે. ત્યાં રડવાનું ને દાંત કટકટાવવાનું થશે. ત્યારે ઈશ્વરની માગણીઓ પ્રમાણે વર્તનારા લોકો પોતાના પિતાના રાજમાં સૂર્યની માફક પ્રકાશશે. જેને સાંભળવાને કાન હોય તે સાંભળે! ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસને ખેતરમાં સંતાડેલો ખજાનો મળતાં તે તેને ફરી સંતાડી દે છે, અને એકદમ આનંદમાં આવી જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી તે ખેતર વેચાતું લઈ લે છે. ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: સારાં મોતી ખરીદનાર વેપારીને ઉત્તમ મોતી મળી જતાં તે પોતાનું સર્વસ્વ વેચી દે છે અને પેલું મોતી ખરીદી લે છે. ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: દરિયામાં નાખવામાં આવેલ જાળમાં બધાં પ્રકારનાં માછલાં પકડાઈ જાય છે. જ્યારે તે ભરાઈ જાય છે ત્યારે માછીમારો તેને કિનારે ખેંચી લાવે છે અને માછલીઓને જુદી પાડે છે. જે સારી છે તે પોતાની ટોપલીઓમાં ભરે છે અને બિનઉપયોગી ફેંકી દે છે. દુનિયાના અંતને સમયે આવું જ થશે. દૂતો જઈને સારા માણસો મધ્યે જે ભૂંડા રહે છે તેમને એકઠા કરશે, અને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેશે. ત્યાં તેઓ રડશે અને દાંત કટકટાવશે. ઈસુએ તેમને પૂછયું, તમને આ બધું સમજાય છે? તેમણે જવાબ આપ્યો, હા. તેથી ઈસુએ જવાબ આપ્યો, આનો અર્થ એ છે કે નિયમશાસ્ત્રનો દરેક શિક્ષક જે ઈશ્વરના રાજનો શિષ્ય બને છે તે પોતાના ભંડારમાંથી જૂની અને નવી વસ્તુઓ બહાર કાઢનાર ઘરધણી જેવો છે. આ બધાં ઉદાહરણો કહી રહ્યા પછી ઈસુ તે સ્થળ મૂકીને પોતાના વતનમાં ગયા. ત્યાંના ભજનસ્થાનમાં તેમણે શિક્ષણ આપ્યું અને જેમણે તેમને સાંભળ્યા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછયું, આ બધું જ્ઞાન તેની પાસે ક્યાંથી આવ્યું? અને તે કેવી રીતે ચમત્કારો કરે છે? શું તે પેલા સુથારનો પુત્ર નથી? શું મિર્યામ તેની માતા નથી? અને યાકોબ, યોસેફ, સિમોન અને યહૂદા તેના ભાઈઓ નથી? શું તેની બધી બહેનો અહીં રહેતી નથી? તો આ બધું જ્ઞાન તેને ક્યાંથી પ્રાપ્ત થયું? અને એમ તેમણે ઈસુનો નકાર કર્યો. ઈસુએ તેમને કહ્યું, સંદેશવાહકને પોતાના વતન અને કુટુંબ સિવાય બીજી બધી જગ્યાએ આવકાર મળે છે. ઈસુએ તેમના અવિશ્વાસને કારણે તેઓ મધ્યે ઝાઝાં અદ્‌ભૂત કાર્યો કર્યાં નહિ. એ જ સમયે ગાલીલના શાસક હેરોદે ઈસુ વિષે સાંભળ્યું. તેણે પોતાના અધિકારીઓને કહ્યું, આ તો બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે. તે પાછો સજીવન થયો છે એટલે જ તેનામાં અદ્‌ભૂત કામો કરવાનું સામર્થ્ય છે. વાત એમ હતી કે, હેરોદે યોહાનની ધરપકડ કરાવીને તેને જેલમાં પૂર્યો હતો. તેણે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને લીધે આમ કર્યું હતું. બાપ્તિસ્મા કરનાર યોહાને હેરોદને કહ્યું હતું કે તેની સાથે લગ્ન કરવું તે તારે માટે યોગ્ય નથી. હેરોદ યોહાનને મારી નંખાવવા માગતો હતો, પણ યહૂદી લોકોની તેને બીક લાગતી હતી. કારણ, તેઓ યોહાનને ઈશ્વરનો સંદેશવાહક માનતા હતા. હેરોદનો જન્મદિવસ આવ્યો. એકત્રિત થયેલા લોકો સમક્ષ હેરોદિયાસની દીકરીએ નૃત્ય કર્યું. હેરોદ ખૂબ પ્રસન્‍ન થઈ ગયો. તેણે તે છોકરીને વચન આપ્યું કે તું જે કંઈ માગીશ તે હું તને આપીશ. પોતાની માતાની શિખવણીથી છોકરીએ બાપ્તિસ્મા કરનાર યોહાનનું માથું થાળમાં આપવા માગણી કરી. રાજા ઘણો દુ:ખી થયો. પણ મહેમાનોની સમક્ષ આપેલા વચનને કારણે તેણે દીકરીની માગણી પૂર્ણ કરવા હુકમો આપ્યા. આમ જેલમાં યોહાનનો શિરચ્છેદ કરવામાં આવ્યો. થાળમાં માથું લાવવામાં આવ્યું અને છોકરીને આપવામાં આવ્યું. તે તેને પોતાની માતા પાસે લઈ ગઈ. ત્યાર પછી યોહાનના શિષ્યો આવ્યા અને તેનું શબ લઈ જઈને દફનાવ્યું, અને પછી ઈસુને તે વિષે ખબર આપી. એ સમાચાર જાણ્યા પછી ઈસુ હોડીમાં બેસીને ત્યાંથી એકલા એકાંત સ્થળે ચાલ્યા ગયા. લોકોને તેની ખબર પડી એટલે નગરોમાંથી તેમની પાછળ જમીન માર્ગે પહોંચી ગયા. ઈસુ હોડીમાંથી બહાર આવ્યા ત્યારે લોકોનો મોટો સમુદાય જોઈને તેમને અનુકંપા આવી. તેમણે તેમાંનાં માંદાંઓને સાજાં કર્યાં. તે સાંજે તેમના શિષ્યોએ તેમને કહ્યું, બહુ મોડું થઈ ગયું છે અને આ તો વડો છે. લોકોને વિદાય કરો કે તેઓ નજીકનાં ગામડાંઓમાં જાય અને પોતાને માટે ખોરાક ખરીદે. ઈસુએ કહ્યું, તેમને જવાની જરૂર નથી. તમે જ તેમને ખોરાક આપો. તેમણે જવાબ આપ્યો, અમારી પાસે તો ફક્ત પાંચ રોટલી અને બે માછલી છે. ઈસુએ કહ્યું, મારી પાસે લાવો. પછી તેમણે લોકોને ઘાસ પર બેસી જવાનો હુકમ કર્યો. તેમણે પાંચ રોટલી અને બે માછલી લઈને આકાશ તરફ દૃષ્ટિ કરીને ઈશ્વરની આશિષ માગી, અને રોટલી ભાંગીને શિષ્યોને આપી. શિષ્યોએ તે લોકોને આપી. દરેકે ધરાઈને ખાધું. જે કકડા વધ્યા હતા તેનાથી શિષ્યોએ બાર ટોપલી ભરી. સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત જમનારામાં આશરે પાંચ હજાર પુરુષો હતા. તરત ઈસુએ શિષ્યોને હોડીમાં બેસીને સરોવરને સામે કિનારે જવાની આજ્ઞા આપી, જ્યારે લોકોને તેમણે વિદાય કર્યા. લોકોને વિદાય કર્યા પછી પોતે પ્રાર્થના કરવા માટે એક ટેકરી પર ગયા. સાંજ પડી ત્યારે તે ત્યાં એકલા હતા. આ સમયે હોડી સરોવરમાં ઘણે દૂર હતી અને તેમાં મોજાં ભરાતાં હતાં. કારણ, પવન સામો હતો. સવારના ત્રણથી છ વાગ્યાના સમયમાં ઈસુ પાણી પર ચાલીને શિષ્યોની પાસે ગયા. તેમને પાણી પર ચાલતા જોઈને શિષ્યો ગભરાઈને બોલી ઊઠયા, એ તો ભૂત છે! ઈસુએ કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ. પિતરે કહ્યું, પ્રભુ, એ જો તમે જ હો, તો મને તમારી પાસે આવવાનો હુકમ આપો. ઈસુએ જવાબ આપ્યો, આવ. તેથી પિતર હોડીમાંથી નીકળીને પાણી પર ચાલીને ઈસુ પાસે જવા લાગ્યો. પણ પવન સામો જોઈને તે ભરાયો અને પાણીમાં ડૂબવા લાગ્યો. તેણે બૂમ પાડી, પ્રભુ, મને બચાવો. ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું, ઓ અલ્પવિશ્વાસી, તું કેમ શંકા લાવ્યો? તેઓ બંને હોડીમાં ચડી ગયા અને પવન બંધ થયો. શિષ્યોએ હોડીમાં ઈસુનું ભજન કર્યું અને કહ્યું, ખરેખર, તમે ઈશ્વરપુત્ર છો. તેઓ સરોવરને સામે કિનારે ગેન્‍નેસારેતના દેશમાં આવ્યા. ત્યાં લોકોએ ઈસુને ઓળખી કાઢયા. તેથી તેઓ આસપાસના દેશના બીમારોને ઈસુની પાસે લાવ્યા. ઈસુ બીમારોને માત્ર પોતાના ઝભ્ભાની કોરનો સ્પર્શ કરવા દે તેવી તેમણે વિનંતી કરી. જેટલાએ સ્પર્શ કર્યો તેટલા બધા સાજા થયા. યરુશાલેમથી કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુની પાસે આવીને તેમને પૂછયું, તમારા શિષ્યો આપણા પૂર્વજોની પ્રણાલિકાઓને કેમ આધીન થતા નથી? તેઓ ભોજન લેતા પહેલાં વિધિ પ્રમાણે હાથ ધોવાનો રિવાજ કેમ પાળતા નથી? ઈસુએ જવાબ આપ્યો, તમારી પ્રણાલિકાઓ પાળવા માટે તમે ઈશ્વરની આજ્ઞા કેમ ઉથાપો છો? કારણ, ઈશ્વરે કહ્યું છે, ’તારા માતાપિતાનું સન્માન કર.’ અને ’જો કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તો તે જાનથી માર્યો જાય.’ પણ તમે કહો છો કે જો કોઈ માણસ પાસે પોતાના માતાપિતાને લાભ થાય તેવી કંઈ વસ્તુ હોય, અને જો એ માણસ તે વસ્તુ ઈશ્વરને અર્પણ કરી દે તો પછી તેણે તેના માતાપિતાનું સન્માન કરવાની જરૂર નથી. આ રીતે તમારા પરંપરાત શિક્ષણને આધીન થતાં તમે ઈશ્વરની આજ્ઞાઓ પાળવામાં નિષ્ફળ જાઓ છો. ઓ દંભીઓ, તમારા વિષે યશાયાએ કરેલી ભવિષ્યવાણી કેટલી સાચી છે! તેણે લખેલું છે, ’આ લોકો મને મોઢેથી તો માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ખરેખર દૂર છે. તેઓ નિરર્થક મારી ભક્તિ કરે છે. કારણ, તેઓ માણસોએ ઘડેલા રિવાજો જાણે ઈશ્વરના નિયમો હોય તેમ શીખવે છે.’ ત્યાર પછી ઈસુએ જનસમુદાયને પોતાની પાસે બોલાવીને કહ્યું, સાંભળો અને સમજો! માણસના મુખમાં જે જાય છે તે નહિ, પણ તેમાંથી જે બહાર નીકળે છે તે જ તેને અશુદ્ધ બનાવે છે. ત્યાર પછી શિષ્યોએ આવીને ઈસુને કહ્યું, તમે જે કહ્યું તેથી ફરોશીઓની લાગણી દુભાઈ છે તેની તમને ખબર છે? ઈસુએ જવાબ આપ્યો, જે કોઈ છોડ મારા આકાશમાંના ઈશ્વરપિતાએ વાવ્યો નથી તે દરેકને ઉખેડી નાખવામાં આવશે. તેમનાથી ગભરાશો નહિ.તેઓ આંધળા આગેવાનો છે અને એક આંધળો બીજા આંધળાને દોરે ત્યારે બંને ખાડામાં પડે છે. પિતર બોલી ઊઠયો, પેલા ઉદાહરણનો અર્થ અમને સમજાવો. ઈસુએ તેમને કહ્યું, બીજાની જેમ તમને હજુ પણ સમજણ પડતી નથી! જે કંઈ મુખમાં જાય છે તે પેટમાં જાય છે અને પછી મળરૂપે બહાર નીકળી જાય છે. પણ જે કંઈ મુખમાંથી બહાર આવે છે તે હૃદયમાંથી નીકળે છે અને તે માનવીને અશુદ્ધ બનાવે છે. કારણ, હૃદયમાંથી દુષ્ટ વિચારો નીકળે છે, જે ખૂન, ચોરી, વ્યભિચાર અને બીજી અશુદ્ધ બાબતો કરવા તરફ દોરી જાય છે. વળી, હૃદયમાંથી લૂંટ, જૂઠ અને નિંદા નીકળે છે. આ બાબતો માનવીને અશુદ્ધ બનાવે છે. પણ હાથ ધોયા વગર ખાવાથી માણસ અશુદ્ધ થઈ જતો નથી. ઈસુ ત્યાંથી નીકળીને તૂર અને સિદોનના દેશમાં ગયા. એક કનાની સ્ત્રી એ દેશમાં રહેતી હતી. તેણે ઈસુની પાસે આવીને બૂમ પાડી, ઓ પ્રભુ! દાવિદના પુત્ર! મારા પર દયા કરો! મારી પુત્રીને અશુદ્ધ આત્મા વળેલો છે અને તેની સ્થિતિ ઘણી ગંભીર છે. પણ ઈસુએ તેને કંઈ જવાબ આપ્યો નહિ. તેમના શિષ્યોએ આવીને આજીજી કરી, તેને વિદાય કરો કે જેથી તે આપણી પાછળ બૂમ પાડતી ફરે નહિ. ઈસુએ જવાબ આપ્યો, મને તો માત્ર ઇઝરાયલનાં ખોવાયેલાં ઘેટાં પાસે જ મોકલવામાં આવ્યો છે. એ જ વખતે તે સ્ત્રી ઈસુનાં ચરણો આગળ નમી પડી અને તેણે કહ્યું, પ્રભુ, મને મદદ કરો. ઈસુએ જવાબ આપ્યો, છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે વાજબી નથી. સ્ત્રીએ જવાબ આપ્યો, પ્રભુ, તમારી વાત સાચી, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકના મેજ પરથી પડેલા ટુકડા ખાય છે. તેથી ઈસુએ જવાબ આપ્યો, બાઈ, તારો વિશ્વાસ ઘણો મહાન છે! તારી માગણી પૂર્ણ થાઓ. અને તે જ ક્ષણે તેની દીકરી સાજી થઈ. ઈસુ તે સ્થળ છોડીને ગાલીલ સરોવરને કિનારે ગયા. તે એક ટેકરી પર ચઢીને બેઠા. ઘણા લોકો તેમની પાસે લૂલાં, આંધળાં, મૂગાં, અપંગ અને એવા બીજાં ઘણા માંદાંઓને લઈને આવ્યા. તેઓ તેમને ઈસુના ચરણો આગળ લાવ્યા. ઈસુએ તેમને સાજાં કર્યાં. જ્યારે મૂગાં બોલવા લાગ્યાં, લૂલાં સાજાં થયાં, અપંગ ચાલવા લાગ્યાં, અને આંધળાંઓ દેખતાં થયાં ત્યારે લોકોએ આશ્ચર્યચકિત થઈને ઇઝરાયલના ઈશ્વરની સ્તુતિ કરી. ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, આ લોકો પર મને દયા આવે છે. કારણ, તેઓ ત્રણ દિવસથી મારી સાથે છે અને તેમની પાસે કંઈ ખોરાક નથી. મારે તેમને ભૂખ્યા વિદાય કરવા નથી. કારણ, કદાચ તેઓ રસ્તામાં નિર્ગત થઈ જાય. શિષ્યોએ કહ્યું, આટલા બધાને માટે આ વેરાન દેશમાં ખોરાક ક્યાંથી લાવીએ? ઈસુએ પૂછયું, તમારી પાસે કેટલી રોટલી છે? તેમણે જવાબ આપ્યો, સાત. વળી, થોડી નાની માછલીઓ પણ છે. ઈસુએ લોકોને જમીન પર બેસી જવા આજ્ઞા કરી. ત્યાર પછી તેમણે સાત રોટલી અને માછલી લીધી, ઈશ્વરની આભારસ્તુતિ કરી અને તેને ભાંગીને શિષ્યોને આપી. શિષ્યોએ તે લોકોને આપી. બધાએ ધરાઈને ખાધું. જે વધ્યું તેની શિષ્યોએ સાત ટોપલીઓ ભરી. સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત જમનારામાં ચાર હજાર પુરુષો હતા. ત્યાર પછી ઈસુએ લોકોને વિદાય કર્યા અને હોડીમાં બેસીને તે મગદાનના દેશમાં આવી પહોંચ્યા. કેટલાક ફરોશીઓ અને સાદૂકીઓ ઈસુ પાસે આવ્યા. ઈશ્વર ઈસુની સાથે છે તેવું પુરવાર કરવા માટે કોઈ નિશાનીની તેમણે માગણી કરી, પણ તેમનો ઈરાદો તો ઈસુને સપડાવવાનો હતો. ઈસુએ જવાબ આપ્યો, સૂર્યાસ્ત સમયે આકાશ લાલ રંગનું હોય, તો તમે કહો છો કે હવામાન સારું રહેશે. વહેલી ભાતે આકાશ લાલ અને ઘેરું હોય, તો તમે કહો છો કે વાવાઝોડું થશે. આકાશ તરફ જોઈને તમે હવામાનની આગાહી કરી શકો છો, પણ તમે સમયનાં ચિહ્નો પારખી શક્તા નથી! આજના જમાનાના દુષ્ટ અને અધર્મી લોક મારી પાસે નિશાનીની માગણી કરે છે! ના, ના, યોનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની તેમને અપાશે નહિ. આમ તે તેમને છોડીને ચાલ્યા ગયા. શિષ્યો સરોવરને સામે કિનારે ગયા ત્યારે સાથે રોટલી લેવાનું ભૂલી ગયા હતા. ઈસુએ તેમને કહ્યું, ધ્યાન રાખો, અને ફરોશીઓ તથા સાદૂકીઓના ખમીર વિષે સાવધ રહો. તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા, આપણે રોટલી લેવાનું ભૂલી ગયા છીએ માટે તે આમ કહે છે. તેઓ જે ચર્ચા કરતા હતા તેની ઈસુને ખબર પડી ગઈ. તેથી તેમણે તેમને પૂછયું, ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તેથી અંદરોઅંદર ચર્ચા શા માટે કરો છો? તમે હજુએ સમજતા નથી? પાંચ હજાર પુરુષોને માટે મેં પાચ રોટલી ભાંગી હતી તે તમને યાદ નથી? ત્યારે તમે વધેલા ટુકડાથી કેટલી ટોપલીઓ ભરી હતી? વળી, ચાર હજાર પુરુષોને માટે સાત રોટલી ભાંગી ત્યારે તમે કેટલી ટોપલીઓ ભરી હતી? હું તમારી સાથે રોટલી વિષે વાત કરતો નથી તેની તમને સમજ કેમ પડતી નથી? ફરોશીઓ અને સાદૂકીઓના ખમીર વિષે સાવધ રહો! ત્યારે શિષ્યોને સમજ પડી કે ઈસુ તેમની સાથે રોટલીમાં વપરાતા ખમીર વિષે નહિ, પણ ફરોશીઓ અને સાદૂકીઓના શિક્ષણ વિષે સાવધ રહેવાની વાત કરે છે. ઈસુ કાઈસારિયા ફિલિપ્પીના દેશમાં ગયા. ત્યાં તેમણે તેમના શિષ્યોને પૂછયું, માનવપુત્ર કોણ છે તે વિષે લોકો કેવી વાતો કરે છે? તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે બાપ્તિસ્મા કરનાર યોહાન, બીજા કહે છે એલિયા, જ્યારે બીજા કેટલાક યર્મિયા કે ઈશ્વરનો બીજો કોઈ સંદેશવાહક કહે છે. તેમણે તેમને પૂછયું, પણ મારે વિષે તમે શું માનો છો? સિમોન પિતરે જવાબ આપ્યો, તમે જીવંત ઈશ્વરના પુત્ર મસીહ છો. ઈસુએ જવાબ આપ્યો, સિમોન બારયોના, શાબાશ! આ સત્ય કોઈ માનવીએ નહિ, પણ મારા આકાશમાંના ઈશ્વરપિતાએ તને સીધેસીધું જણાવ્યું છે. અને તેથી હું કહું છું: તું પિતર એટલે પથ્થર છે અને આ ખડક પર હું મારી મંડળીનું બાંધકામ કરીશ. તેની આગળ મરણની સત્તાનું કંઈ જોર ચાલશે નહિ. હું તને ઈશ્વરના રાજની ચાવીઓ આપીશ. તું પૃથ્વી પર જેને બાંધી દેશે તેને આકાશમાં બાંધી દેવાશે અને પૃથ્વી પર જેને તું મુક્ત કરીશ તેને આકાશમાં મુક્ત કરવામાં આવશે. ત્યાર પછી પોતે મસીહ છે એ વિષે બીજા કોઈને ન જણાવવા ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી. ત્યાર પછી ઈસુ તેમના શિષ્યોને સ્પષ્ટ રીતે જણાવવા લાગ્યા કે, મારે યરુશાલેમ જવું જ જોઈએ. ત્યાં આગેવાનો, મુખ્ય યજ્ઞકારો તથા નિયમશાસ્ત્રના શિક્ષકો મને ખૂબ દુ:ખ દેશે, મને મારી નાખવામાં આવશે અને ત્રીજે દિવસે મને સજીવન કરવામાં આવશે. પિતરે ઈસુને એક બાજુએ લઈ જઈને ઠપકો આપતાં કહ્યુ, ના પ્રભુ, આવું તમારા જીવનમાં કદી નહીં બને. ઈસુએ પાછા ફરીને પિતરને કહ્યું, શેતાન, દૂર ભાગ! તું મારા માર્ગમાં ઠોકરરૂપ છે. કારણ, તું માણસની રીતે વિચારે છે, ઈશ્વરની રીતે નહિ! ત્યાર પછી ઈસુએ શિષ્યોને કહ્યું, જો કોઈ મને અનુસરવા માગે, તો તેણે પોતાની જાતને ભૂલી જવી; અને પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરવું. કારણ, જે કોઈ પોતાનું જીવન બચાવવા જશે તે તેને ગુમાવશે, પણ જે મારે લીધે પોતાનું જીવન ગુમાવશે તે તેને બચાવશે. કોઈ માણસ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનો જીવ નાશ પામે તો તેથી તેને કંઈ લાભ ખરો? ના, કશો જ નહિ. એકવાર જીવ ખોઈ બેઠા પછી તેને પાછો મેળવવા માટે માણસ કશું આપી શકે તેમ નથી. માનવપુત્ર પોતાના ઈશ્વરપિતાના મહિમામાં દૂતો સાથે આવશે ત્યારે તે દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપશે. હું તમને સાચે જ કહું છું: અહીં કેટલાક એવા છે જેઓ માનવપુત્રનું રાજા તરીકેનું આગમન જોશે નહિ, ત્યાં સુધી મરણ પામશે નહિ. છ દિવસ પછી ઈસુ પિતર, યાકોબ તથા તેના ભાઈ યોહાનને એક ઊંચા પર્વત પર એકાંતમાં લઈ ગયા. તેઓ જોઈ રહ્યા હતા એવામાં ઈસુનું સ્વરૂપ બદલાઈ ગયું, તેમનો ચહેરો સૂર્યના જેવો તેજસ્વી થયો અને તેમનાં વસ્ત્ર પ્રકાશના જેવાં શ્વેત બન્યાં. ત્યાર પછી તેમણે મોશે અને એલિયાને ઈસુની સાથે વાત કરતા જોયા. તેથી પિતરે ઈસુને કહ્યું, પ્રભુ, આપણે અહીં રહીએ એ સારું છે. એક તમારે માટે, એક મોશે માટે અને એક એલિયા માટે એમ ત્રણ તંબુઓ હું બનાવીશ. ઈસુ વાત કરતા હતા એવામાં એક તેજોમય વાદળે તેમના પર છાયા કરી અને તેમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું; તેનું સાંભળો. આ વાણી સાંભળીને શિષ્યો ગભરાઈ ગયા ને જમીન પર ઊંધા પડી ગયા. ઈસુએ આવીને તેમને સ્પર્શ કર્યો અને કહ્યું, ઊઠો, ગભરાશો નહિ! તેથી તેમણે ઊંચે જોયું તો એકલા ઈસુ સિવાય બીજા કોઈને જોયા નહિ. તેઓ પર્વત પરથી નીચે ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી, માનવપુત્ર મરણમાંથી સજીવન ન થાય ત્યાં સુધી આ દર્શન વિષે કોઈને કહેશો નહિ. ત્યાર પછી શિષ્યોએ ઈસુને પૂછયું, નિયમશાસ્ત્રના શિક્ષકો શા માટે કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ? ઈસુએ જવાબ આપ્યો, એલિયા ખરેખર પ્રથમ આવે છે, અને તે બધી બાબતો તૈયાર કરશે. પણ હું તમને કહું છું કે એલિયા તો હકીક્તમાં આવી ગયો છે, પણ લોકો તેને ઓળખી શક્યા નથી. તેમણે તો તેની સાથે મનફાવે તેવું વર્તન દાખવ્યું છે. માનવપુત્ર પ્રત્યે પણ તેઓ એવું જ વર્તન દાખવશે. ત્યારે શિષ્યો સમજ્યા કે તે તેમની સાથે બાપ્તિસ્મા કરનાર યોહાન વિષે વાત કરે છે. તેઓ લોકોનાં ટોળા પાસે પાછા આવ્યા ત્યારે એક માણસ ઈસુ પાસે આવ્યો અને ધૂંટણિયે પડીને કહ્યું, પ્રભુ, મારા પુત્ર પર દયા કરો! તેને વાઈનું દર્દ છે અને ભયંકર તાણ આવે છે. તેથી તે ઘણીવાર અગ્નિમાં કે પાણીમાં પડી જાય છે. હું તમારા શિષ્યો પાસે તેને લાવ્યો પણ તેઓ તેને સાજો કરી શક્યા નથી. ઈસુએ જવાબ આપ્યો, ઓ અવિશ્વાસી અને આડા લોકો, ક્યાં સુધી મારે તમારી સાથે રહેવું? ક્યાં સુધી મારે તમારું ચલાવી લેવું? છોકરાને મારી પાસે લાવો. ઈસુએ દુષ્ટાત્માને ધમકાવ્યો. તેથી તે છોકરામાંથી નીકળી ગયો અને તે જ ક્ષણે છોકરો સાજો થયો. ત્યાર પછી શિષ્યો ઈસુની પાસે આવ્યા અને ખાનગીમાં પૂછયું, શા માટે અમે તે દુષ્ટાત્માને કાઢી શક્યા નહીં? ઈસુએ જવાબ આપ્યો, તમારા વિશ્વાસની ઊણપને લીધે. હું તમને સાચે જ કહું છું: જો તમારામાં રાઈના દાણા જેટલોય વિશ્વાસ હોય તો તમે આ પર્વતને કહી શકશો, ’અહીંથી ત્યાં ચાલ્યો જા!’ અને તે ચાલ્યો જશે. એ રીતે તમે સર્વ કંઈ કરી શકશો. [ફક્ત પ્રાર્થના અને ઉપવાસથી જ આ પ્રકારના દુષ્ટાત્માને કાઢી શકાય છે; બીજા કશાથી નહિ.] જ્યારે બધા શિષ્યો ગાલીલમાં એકત્ર થયા, ત્યારે ઈસુએ તેમને કહ્યું, માનવપુત્રની ધરપકડ થવાની તૈયારી છે. તેઓ તેને મારી નાખશે, પણ ત્રીજે દિવસે તેને મરણમાંથી સજીવન કરવામાં આવશે. આ સાંભળીને શિષ્યો દિલગીર થઈ ગયા. ઈસુ અને તેમના શિષ્યો કાપરનાહૂમ આવ્યા ત્યારે મંદિરનો કર ઉઘરાવનારા માણસો પિતર પાસે આવ્યા અને પૂછયું, તમારા ગુરુ મંદિરનો કર ભરે છે કે નહિ? પિતર ઘરમાં ગયો. ઈસુએ પૂછયું, સિમોન, તારું શું મંતવ્ય છે? આ દુનિયાના રાજાઓને કરવેરા અને જકાત કોણ આપે છે? શું દેશના નાગરિકો કે પછી પરદેશીઓ? પિતરે જવાબ આપ્યો, પરદેશીઓ. ઈસુએ કહ્યું, તો પછી એનો અર્થ એ થાય કે નાગરિકોએ કર ભરવો ન જોઈએ. પણ આપણે આ લોકોની લાગણી દુભવવી નથી. તેથી સરોવર કિનારે જા, ગલ નાખ, ને જે પહેલી માછલી પકડાય તેના મુખમાંથી રૂપાનો સિક્કો મળશે. તેનું મૂલ્ય મારા અને તારા બંને માટે મંદિરનો કર ભરવા જેટલું છે. તે લઈને આપણો કર ભરી દે. આ સમયે શિષ્યો ઈસુની પાસે આવ્યા અને પૂછયું, ઈશ્વરના રાજમાં સૌથી મહાન કોણ છે? ઈસુએ એક બાળકને બોલાવીને તેમની સમક્ષ ઊભું રાખીને કહ્યું, હું તમને સાચે જ કહું છું: જ્યાં સુધી તમે બદલાઓ નહિ, અને બાળકોના જેવા બનો નહિ, ત્યાં સુધી તમે ઈશ્વરના રાજમાં પ્રવેશ પામશો નહિ. જે કોઈ પોતાને આ બાળકના જેવું નમ્ર બનાવે છે તે જ ઈશ્વરના રાજમાં મહાન છે. વળી, જે કોઈ મારે નામે આવા બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે. આ નાનાઓમાંના કોઈને મારા પરના વિશ્વાસમાંથી કોઈ ડગાવી દે તો તેને ગળે ઘંટીનો મોટો પથ્થર બંધાય અને તેને સમુદ્રના ઊંડાણમાં ડુબાડી દેવાય તે તેને માટે વધારે સારું છે. કેટલીક વસ્તુઓ માણસોને પ્રલોભનમાં નાખનારી હોય છે. દુનિયાને માટે તે કેવી અફસોસની વાત છે! પ્રલોભન તો સદા આવ્યાં કરવાનાં, પણ જેની મારફતે તે આવે છે તેને અફસોસ! જો તમારો હાથ કે પગ તમને મારા પરના વિશ્વાસથી ડગાવી દે તો તેને કાપી નાખીને ફેંકી દો! બે હાથ ને બે પગ સાથે સાર્વકાલિક અગ્નિમાં બળ્યા કરવું તેના કરતાં એક હાથ અને એક પગ લઈને જીવનમાં પ્રવેશ કરવો તે વધારે સારું છે. અને જો તમારી આંખ તમને મારા પરના વિશ્વાસથી ડગાવી દે તો તેને કાઢીને ફેંકી દો. બંને આંખ સાથે નર્કના અગ્નિમાં જવું તેના કરતાં એક આંખ લઈને જીવનમાં પ્રવેશ કરવો તે વધારે સારું છે. તમે આ નાનાઓમાંથી કોઈને તુચ્છ ગણવા વિષે સાવધ રહેજો! તેમના દિવ્ય દૂતો હંમેશાં આકાશમાંના મારા ઈશ્વરપિતાની રૂબરૂ સતત તહેનાતમાં હોય છે. માનવપુત્ર ખોવાયેલાંઓને બચાવવા આવ્યો છે. તમને શું લો છે? ધારો કે એક માણસ પાસે સો ઘેટાં છે અને તેમાંનું એક ખોવાઈ જાય તો તે શું કરશે? તે બાકીનાં નવ્વાણુંને ટેકરી પર ચરતાં મૂકીને પેલા ખોવાયેલાની તપાસ કરશે. જ્યારે તે તેને મળશે ત્યારે નવ્વાણુંના કરતાં આ એક ખોવાયેલું ઘેટું પાછું મળ્યું છે એને લીધે તેને વધુ આનંદ થશે. તે જ પ્રમાણે તમારા આકાશમાંના ઈશ્વરપિતા આ નાનાઓમાંથી એક પણ ખોવાઈ જાય તેવું ઇચ્છતા નથી. જો તારો ભાઈ તારી વિરુદ્ધ* પાપ કરે, તો તેની પાસે જા અને ખાનગીમાં તેને તેની ભૂલ સમજાવ. જો તે તારું માને તો તેં તારા ભાઈને પાછો જીતી લીધો છે. પણ જો તે તારું સાંભળે જ નહિ, તો તારી સાથે બીજી એક કે બે વ્યક્તિને લઈને તેની પાસે જા. જેથી શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે દરેક આક્ષેપ બે કે ત્રણ વ્યક્તિની સાક્ષીથી પુરવાર થાય. હવે જો તે તેમનું પણ ન માને તો એ વાત મંડળીને જણાવ અને ત્યાર પછી જો તે મંડળીનું પણ ન માને તો તેને વિધર્મી કે નાકાદાર જેવો ગણ. હું તમને સાચે જ કહું છું: તમે પૃથ્વી પર જેને બાંધશો તે આકાશમાં બાંધી દેવાશે અને તમે પૃથ્વી પર જેને મુક્ત કરશો તે આકાશમાં મુક્ત કરવામાં આવશે. વળી, હું તમને કહું છું કે પૃથ્વી પર તમારામાંના કોઈપણ બે એકમતે પ્રાર્થનાની વિનંતી કરશે તો તે પ્રમાણે આકાશમાંના મારા ઈશ્વરપિતા તમારે માટે કરશે. કારણ, જ્યાં બે કે ત્રણ મારે નામે એકત્ર થાય છે ત્યાં હું તેમની વચમાં છું. ત્યાર પછી પિતરે ઈસુની પાસે આવીને પૂછયું, પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ પાપ કરે તો મારે તેને કેટલી વાર માફ કરવું? શું સાત વાર? ઈસુએ જવાબ આપ્યો, ના, સાત વાર નહિ, પણ સિત્તેર ઘણી સાત વાર માફ કર. કારણ, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક રાજા પોતાના સેવકોનો હિસાબ તપાસવા માંગતો હતો. તેના એક સેવકને લાખોનું દેવું હતું. તેને રાજા સમક્ષ લાવવામાં આવ્યો. હવે આ દેવાદાર સેવક પાસે તેનું દેવું ભરપાઈ કરવા માટે પૂરતા પૈસા ન હતા. આથી રાજાએ હુકમ કર્યો કે તું, તારી પત્ની, બાળકો તથા તારી પાસે જે કંઈ છે તે બધું લઈને ગુલામ તરીકે વેચાઈ જા અને તારું દેવું ભરી દે. આ સેવક રાજા આગળ નમી પડયો અને કરગરવા લાગ્યો, ’મારા પર દયા રાખો ને હું તમારું બધું દેવું ભરી આપીશ.’ રાજાને તેના પર દયા આવી, તેથી તેણે તેનું દેવું માફ કર્યું અને તેને છોડી મૂકવામાં આવ્યો. આ માણસ બહાર જઈને તેના એક સાથી સેવકને મળ્યો. હવે તેની પાસે તે થોડા રૂપિયા માગતો હતો. તેણે તેને ગળેથી પકડયો ને મારવા લાગ્યો અને કહ્યું, ’મારા પૈસા આપી દે.’ પેલો માણસ તેના પગે પડયો અને કરગરવા લાગ્યો, ’સાહેબ, જરા ધીરજ રાખો, હું તમારું બધું દેવું ભરી આપીશ.’ પણ તેણે તેનું માન્યું નહિ અને ઉપરથી તેનું દેવું ન ભરે ત્યાં સુધી તેને જેલમાં પુરાવ્યો. જે બન્યું તે બીજા સેવકોએ જોયું ને તેમને બહુ દુ:ખ થયું. તેમણે રાજા પાસે જઈને બધી હકીક્ત જણાવી દીધી. રાજાએ પેલા સેવકને બોલાવ્યો અને કહ્યું, ’ઓ દુષ્ટ, તેં દયાની માગણી કરી તેથી તારું બધું જ દેવું મેં માફ કર્યું હતું. તો મેં જેમ કર્યું તે જ પ્રમાણે તારે તારા સાથી સેવક પર દયા કરવાની જરૂર નહોતી?’ રાજા તેના પર ઘણો ગુસ્સે થયો અને તે તેનું દેવું ભરે નહિ ત્યાં સુધી તેને રિબાવવા જેલમાં પુરાવ્યો. ઈસુએ અંતમાં કહ્યું, તમારે પણ તમારા સાથીભાઈને ખરા હૃદયથી માફી આપવાની છે. જો તમે તેમ નહિ કરો તો આકાશમાંના મારા ઈશ્વરપિતા પણ તમારી સાથે એવી જ રીતે વર્તશે. એ વાતો કહ્યા પછી ઈસુ ગાલીલના દેશમાંથી યર્દન નદીની પેલે પાર આવેલા યહૂદિયાના દેશમાં આવ્યા. ઘણા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે તેમને સાજા કર્યા. કેટલાક ફરોશીઓ આવ્યા. તેમણે ઈસુને સપડાવવા પ્રશ્ર્ન પૂછયો, પુરુષ પોતાની પત્નીને મે તે કારણસર લગ્નવિચ્છેદ આપી શકે? એ વિષે આપણું નિયમશાસ્ત્ર શું શીખવે છે? ઈસુએ જવાબ આપ્યો, શું તમે આ શાસ્ત્રભાગ નથી વાંચ્યો? ’આરંભમાં સર્જનહારે નર અને નારી ઉત્પન્‍ન કર્યાં.’ અને કહ્યું: ’આ કારણને લીધે માણસ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળી રહેશે અને તેઓ બંને એક દેહ થશે.’ તેથી હવે તેઓ બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેમને જોડયાં છે તેમને કોઈ માણસે કદી અલગ પાડવાં નહિ. ફરોશીઓએ પૂછયું, તો પછી પતિ પોતાની પત્નીને લગ્નવિચ્છેદનું લખાણ આપી ત્યજી દઈ શકે એવી આજ્ઞા મોશેએ શા માટે આપી? ઈસુએ જવાબ આપ્યો, તમારા હૃદયની જડતા લક્ષમાં લઈને મોશેએ પત્નીથી લગ્નવિચ્છેદ કરવાની પરવાની આપી. પણ આરંભમાં એવું ન હતું. હું કહું છું: જો કોઈ પુરુષ તેની પત્નીએ વ્યભિચાર કર્યો ન હોવા છતાં તેનાથી લગ્નવિચ્છેદ કરે અને બીજી સ્ત્રીની સાથે લગ્ન કરે તો તે વ્યભિચાર કરે છે. તેમના શિષ્યોએ તેમને કહ્યું, જો પત્ની સાથેના સંબંધ વિષે પતિની આવી દશા હોય તો પછી લગ્ન કરવું ન જોઈએ. ઈસુએ જવાબ આપ્યો, આ વાતનો સ્વીકાર બધા કરી શક્તા નથી, પણ જેમને એનું ખાસ દાન હોય તેવા કેટલાકને જ એ લાગુ પડે છે. કારણ, લગ્ન નહિ કરવાનાં જુદાં જુદાં કારણો હોય છે: કેટલાક જન્મથી જ લગ્ન માટે અયોગ્ય હોય છે; બીજા કેટલાકને માણસોએ એવા બનાવ્યા હોય છે; જ્યારે કેટલાક ઈશ્વરના રાજ માટે લગ્ન કરતા જ નથી. જેનાથી આ વાત પળાય તે પાળે. કેટલાક લોકો બાળકોને ઈસુની પાસે લાવ્યા; જેથી ઈસુ તેમના માથા પર હાથ મૂકીને તેમને આશિષ આપે. પણ શિષ્યોએ લોકોને ધમકાવ્યા. ઈસુએ કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો, તેમને રોકશો નહિ. કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે. ઈસુએ બાળકોના માથા પર હાથ મૂકીને આશિષ આપી. પછી તે ત્યાંથી ગયા. એવામાં એક યુવાન ઈસુની પાસે આવ્યો. તેણે પૂછયું, ગુરુજી, સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું સારું કરવું જોઈએ? ઈસુએ જવાબ આપ્યો, સારું શું છે તે તું મને શા માટે પૂછે છે? એકલા ઈશ્વર જ સારા છે. જો તારે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવું હોય તો તેમની આજ્ઞાઓને આધીન રહે. તેણે પૂછયું કઈ આજ્ઞાઓ? ઈસુએ જવાબ આપ્યો, ખૂન ન કરવું, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જુઠ્ઠી સાક્ષી ન પૂરવી, પોતાનાં માતાપિતાનું સન્માન કરવું અને બીજા પર પોતાના જેવો જ પ્રેમ રાખવો. યુવાને જવાબ આપ્યો, મેં આ બધી આજ્ઞાઓનું પાલન કરેલું જ છે. હવે મારે બીજું શું કરવાનું બાકી છે? ઈસુએ જવાબ આપ્યો, જો તારે સંપૂર્ણ થવું હોય તો જા, તારું બધું ધન વેચીને ગરીબોને વહેંચી દે, એટલે તને આકાશમાં ધન મળશે. ત્યાર પછી મારી પાસે આવીને મને અનુસર. એ વાત સાંભળીને તે યુવાન ખુબ દિલગીર થઈને ચાલ્યો ગયો, કારણ, તે ઘણો ધનવાન હતો. ઈસુએ શિષ્યોને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે ઈશ્વરના રાજમાં પ્રવેશવું એ ધનવાનને માટે ખૂબ જ મુશ્કેલ છે. ધનવાનને ઈશ્વરના રાજમાં પ્રવેશ કરવો તે કરતાં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલું છે. એ સાંભળીને શિષ્યોને નવાઈ લાગી. તેમણે પૂછયું, તો પછી ઉદ્ધાર કોણ પામી શકે? ઈસુએ તેમની તરફ જોઈને કહ્યું, માણસોને માટે એ અશકય છે, પણ ઈશ્વરને તો સર્વ શકય છે. પિતર બોલી ઊઠયો, પ્રભુ, અમે સર્વસ્વનો ત્યાગ કરીને તમારી પાછળ આવ્યા છીએ. અમને શું મળશે? ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: પુન:ઉત્પતિમાં માનવપુત્ર પોતાના મહિમાવંત રાજ્યાસન પર બિરાજશે, ત્યારે તેમની સાથે તમે મારા બાર શિષ્યો પણ બેસશો અને ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરશો. વળી, જેમણે મારા નામને લીધે પોતાનું ઘર, ભાઈઓ, બહેનો, માતા, પિતા કે બાળકો કે ખેતરો મૂકી દીધાં હશે, તેમને સોગણું પાછું મળશે અને તેમને સાર્વકાલિક જીવન મળશે. પણ ઘણા જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે, અને જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે. ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: દ્રાક્ષવાડીનો માલિક દ્રાક્ષવાડીમાં કામ કરવા માટે સવારે મજૂરો કરવા ગયો. તેણે તેમને રોજનો એક દીનાર આપવાનું ઠરાવ્યું અને મજૂરોને દ્રાક્ષવાડીમાં કામ કરવા મોકલ્યા. નવ વાગે તે ફરી ચોકમાં ગયો. ત્યાં કેટલાક માણસો હતા જેમને હજી કામ મળ્યું નહોતું. તેથી તેણે તેમને કહ્યું, ’તમે મારી દ્રાક્ષવાડીમાં કામ કરવા જાઓ અને હું તમને યોગ્ય રોજી આપીશ.’ તેથી તેઓ ગયા. બાર વાગે અને ત્રણ વાગે તેણે તેમ જ કર્યું. સાંજે પાંચ વાગે તે ફરીથી ચોકમાં ગયો, તો ત્યાં કેટલાક હજી એવા હતા જેમને કામ મળ્યું ન હતું. તેણે તેમને પૂછયું, ’આખો દિવસ તમે નવરા કેમ ઊભા છો?’ તેમણે જવાબ આપ્યો, ’અમને કોઈએ કામ આપ્યું નથી.’ તેણે કહ્યું, ’ભલે, તમે પણ મારી દ્રાક્ષવાડીમાં જઈને કામ કરો.’ સાંજ પડી ગઈ. માલિકે પોતાના મુકાદમને બોલાવીને કહ્યું, ’મજૂરોને બોલાવ અને જેઓ છેલ્લા આવ્યા હતા તેમને પ્રથમ, ને જેઓ પ્રથમ આવ્યા હતા તેમને છેલ્લે એમ તેમને રોજી આપ.’ જેમને સાંજે પાંચ વાગે કામ મળ્યું હતું, તેમને એક એક દીનાર મળ્યો. તેથી જેઓ પ્રથમ કામ કરવા આવ્યા હતા તેમનો વારો આવ્યો ત્યારે તેમણે વિચાર્યું કે તેમને વધુ પૈસા મળશે. તેમને પણ એક જ દીનાર મળ્યો. તેમણે પૈસા તો લઈ લીધા પણ માલિકની વિરુદ્ધ કચકચ કરી. તેમણે કહ્યું, ’આ જે છેલ્લા કામ કરવા આવ્યા તેમણે ફક્ત એક જ કલાક કામ કર્યું, જ્યારે અમે તો આખો દિવસ સખત તાપમાં કામ કર્યું છે, છતાં તમે તેમને અને અમને એકસરખું વેતન આપ્યું છે!’ માલિકે તેમને જવાબ આપ્યો, ’હું તમને કંઈ અન્યાય કરતો નથી. તમે એક દીનારમાં જ કામ કરવા સંમત થયા નહોતા? તો તમે તમારા પૈસા લઈને ચાલતી પકડો. મેં તમને જે પૈસા આપ્યા તે જ મારે આ છેલ્લે આવેલાઓને પણ આપવા છે. મારા પોતાના પૈસા મને મારી મરજી પ્રમાણે વાપરવાનો હક્ક નથી? કે પછી તમને મારી ઉદારતાની ઈર્ષા આવે છે? ઈસુએ અંતમાં કહ્યું, આમ, જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે, અને જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે. ઈસુ યરુશાલેમ જઈ રહ્યા હતા. ચાલતાં ચાલતાં તેમણે શિષ્યોને બાજુમાં બોલાવીને ખાનગીમાં કહ્યું, જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ. ત્યાં માનવપુત્રને મુખ્ય યજ્ઞકારો તથા નિયમશાસ્ત્રના શિક્ષકોના હાથમાં સોંપી દેવામાં આવશે. તેઓ તેને મરણની સજા ફટકારશે. ત્યાર પછી તેઓ બિનયહૂદીઓને તેની સોંપણી કરશે, વિદેશીઓ તેની મશ્કરી ઉડાવશે, ચાબખા મારશે ને ક્રૂસ પર જડી દેશે. ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે. ઝબદીના પુત્રોની માતા પોતાના પુત્રોને લઈને ઈસુની પાસે આવી અને તેમને પગે લાગીને તેણે માગણી કરી. ઈસુએ પૂછયું, તારી શી માગણી છે? તેણે જવાબ આપ્યો, તમારા રાજમાં મારા આ બન્‍ને પુત્રો તમારી ડાબી અને જમણી બાજુએ બેસે તેવું વચન આપો. ઈસુએ જવાબ આપ્યો, તમારી માગણી સમજ વરની છે. હું હાલ જે પ્યાલો પીવાનો છું તે શું તમે પી શકશો? તેમણે જવાબ આપ્યો, હા, અમે તેમ કરી શકીએ છીએ. ઈસુએ જવાબ આપ્યો, તમે જરૂર મારા પ્યાલામાંથી પીશો, પણ મારી જમણી કે ડાબી બાજુએ કોણ બેસશે તે નકકી કરવાનું કામ મારું નથી. મારા ઈશ્વરપિતાએ જેમને માટે એ જગ્યા નક્કી કરેલી છે, તેમને જ તે મળશે. બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું. તેઓ બધા આ બે ભાઈઓ પર ગુસ્સે થયા. તેથી ઈસુએ બધાને પાસે બોલાવીને કહ્યું, તમે જાણો છો કે વિધર્મીઓના રાજાઓ લોકો પર સત્તા ચલાવે છે અને આગેવાનો લોકો પર રાજ કરે છે. પણ તમારી મધ્યે તેવું ન હોવું જોઈએ. જો, જે કોઈ તમારામાંથી મોટો થવા ચાહે તેણે બાકીનાના સેવક બનવું અને જો કોઈએ આગેવાન થવું હોય, તો તેણે બધાના સેવક બનવું. કારણ, માનવપુત્ર પણ સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને અને ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે. તેઓ યરીખોમાંથી નીકળીને આગળ જતા હતા. ઘણા લોકો ઈસુની પાછળ પાછળ ચાલતા હતા. બે અંધજનો માર્ગની બાજુએ બેઠેલા હતા. તેમણે સાંભળ્યું કે ઈસુ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. તેઓ બૂમો પાડવા લાગ્યા, ઓ પ્રભુ, દાવિદના પુત્ર, અમારા પર દયા કરો. લોકોએ તેમને ધમકાવ્યા, અને તેમને શાંત રહેવા કહ્યું, પણ તેમણે તો વધારે જોરથી બૂમો પાડવાનું ચાલુ રાખ્યું, ઓ પ્રભુ, દાવિદના પુત્ર, અમારા પર દયા કરો! ઈસુ થંભી ગયા. તેમણે તેમને બોલાવ્યા અને પૂછયું, તમારી શી ઇચ્છા છે? હું તમારે માટે શું કરું? તેમણે જવાબ આપ્યો, પ્રભુ, અમને દેખતા કરો. ઈસુને તેઓ પર દયા આવી. તેમણે તેમની આંખોને સ્પર્શ કર્યો. તરત જ તેઓ દેખતા થયા અને ઈસુની પાછળ ચાલવા લાગ્યા. તેઓ યરુશાલેમની નજીક ઓલિવ પર્વત પાસે આવેલા બેથફાગે નામના સ્થળે આવ્યા. ઈસુએ ત્યાંથી પોતાના બે શિષ્યોને આવી સૂચનાઓ આપી આગળ મોકલ્યા: તમે સામેના ગામમાં જાઓ અને તમને એક ગધેડી બાંધેલી જોવા મળશે. તેની સાથે વછેરો પણ હશે. તેમને છોડીને મારી પાસે લાવો. જો કોઈ તમને પૂછે તો કહેજો, પ્રભુને તેમની જરૂર છે, અને તે તેમને તરત જ પાછાં મોકલી આપશે. સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય માટે એ પ્રમાણે બન્યું: સિયોન નરને કહો કે, જો, તારો રાજા તારી પાસે આવે છે. તે નમ્ર છે અને ગધેડા પર બિરાજમાન છે, તે ગધેડાના વછેરા પર સવારી કરે છે. તેથી શિષ્યો ગયા અને ઈસુના કહ્યા પ્રમાણે કર્યું. તેઓ ગધેડીને તથા તેના વછેરાને લાવ્યા અને તેના પર પોતાનાં વસ્ત્રો નાખ્યાં ને ઈસુ તે પર સવાર થયા. જનસમુદાયમાંથી ઘણાએ પોતાનાં વસ્ત્રો માર્ગ પર પાથર્યાં. કેટલાકે વૃક્ષની ડાળીઓ કાપીને માર્ગ પર પાથરી. ઈસુની આગળ તથા પાછળ ચાલતા લોકોએ સૂત્રો પોકાર્યાં,દાવિદપુત્રને હોસાન્‍ના! પ્રભુને નામે આવનારને ઈશ્વર આશિષ આપો! સર્વોચ્ચ સ્થાનોમાં જય જયકાર હો! ઈસુએ યરુશાલેમમાં પ્રવેશ કર્યો ત્યારે સમગ્ર શહેર ખળભળી ઊઠયું. કેટલાકે પૂછયું, આ કોણ છે? લોકોનો જવાબ હતો, આ તો ગાલીલના દેશમાં આવેલા નાઝારેથ નગરના સંદેશવાહક ઈસુ છે. ઈસુ મંદિરમાં ગયા અને તેમણે ખરીદનારા તથા વેચનારા સૌને હાંકી કાઢયા. શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓનાં આસનોને ઉથલાવી પાડયાં. તેમણે તેમને કહ્યું, ધર્મશાસ્ત્રમાં લખેલું છે: ’મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તો તેને લૂંટારાઓનું ધામ બનાવી દીધું છે.’ આંધળાં અને લૂલાં મંદિરમાં તેમની પાસે આવ્યાં. ઈસુએ તેમને સાજાં કર્યાં. મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ તેમનાં અદ્‌ભૂત કાર્યો જોયાં અને બાળકો પોકારતાં હતાં: દાવિદપુત્રને હોસાન્‍ના! તેથી તેમણે ગુસ્સે થઈને ઈસુને કહ્યું, આ બાળકો જે પોકારે છે તે સાંભળ્યું? ઈસુએ જવાબ આપ્યો, હા. શું તમે આ શાસ્ત્રવચન કદી નથી વાંચ્યું કે, ’તમે બાળકો અને ધાવણાં બચ્ચાંના મુખેથી સ્તુતિ સંપૂર્ણ કરાવી છે’? ઈસુ તેમને છોડીને શહેરની બહાર બેથાનિયા ચાલ્યા ગયા અને ત્યાં રાત રહ્યા. બીજે દિવસે સવારે શહેરમાં પાછા આવતાં ઈસુને ભૂખ લાગી હતી. માર્ગની બાજુએ અંજીરી હતી. તે તેની નજીક ગયા, પણ એકલાં પાંદડાં સિવાય કંઈ જોવા મળ્યું નહિ. તેથી ઈસુએ અંજીરીને કહ્યું, હવેથી તારા પર કદી ફળ લાશે નહિ. તરત જ તે અંજીરી સુકાઈ ઈ. એ જોઈને શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછયું, આ અંજીરી એકાએક જ કેમ સુકાઈ ગઈ? ઈસુએ કહ્યું, હું તમને સાચે જ કહું છું: અંજીરીને મેં કહ્યું અને તે સુકાઈ ગઈ. જો તમે શંકા ન લાવતાં વિશ્વાસ રાખો તો તમે એથી પણ વિશેષ કરી શકશો. એટલે, જો આ પર્વતને તમે કહો કે, ’ઊંચકાઈને સમુદ્રમાં પડ’ તો તે પ્રમાણે થશે. જો તમે વિશ્વાસસહિત પ્રાર્થના કરો તો તમે જે કંઈ માગો તે મળશે. ઈસુ મંદિરમાં પાછા આવ્યા. તે શિક્ષણ આપતા હતા, ત્યારે મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનો તેમની પાસે આવ્યા અને પૂછયું, કયા અધિકારથી તમે આ બધું કરો છો? તમને એ અધિકાર કોણે આપ્યો? ઈસુએ તેમને જવાબ આપ્યો, હું પણ તમને એક સવાલ પૂછું છું, અને જો તમે મને તેનો જવાબ આપશો, તો કયા અધિકારથી હું આ કાર્યો કરું છું તે હું તમને કહીશ. યોહાનને બાપ્તિસ્મા આપવાનો અધિકાર કોણે આપ્યો? ઈશ્વરે કે માણસોએ? તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા, આપણે શો જવાબ આપીએ? જો આપણે કહીએ, ’ઈશ્વર તરફથી,’ તો તે કહેશે, ’તો પછી તમે યોહાન પર વિશ્વાસ કેમ ન કર્યો?’ પણ જો આપણે કહીએ, ’માણસો તરફથી,’ તો આપણને લોકોની બીક લાગે છે; કારણ, લોકો તો યોહાનને ઈશ્વરનો સંદેશવાહક માને છે. આથી તેમણે ઈસુને જવાબ આપ્યો, અમને ખબર નથી. તેથી ઈસુએ તેમને કહ્યું, તો કયા અધિકારથી હું આ કાર્યો કરું છું તે હું પણ તમને નહિ કહું. તમે આ વિષે જરા વિચાર કરો: એક માણસ હતો. તેને બે પુત્રો હતા. તેણે મોટા પુત્રને કહ્યું, ’દીકરા, મારી દ્રાક્ષવાડીમાં જઈને આજે કામ કર.’ તેણે જવાબ આપ્યો, ’હું નહીં જઉં.’ પણ પછીથી તેણે પોતાનું મન બદલ્યું અને દ્રાક્ષવાડીમાં ગયો. ત્યાર પછી તે બીજા પુત્ર પાસે ગયો અને એમ જ કહ્યું. તેણે જવાબ આપ્યો, ’હા, જઉં છું.’ પણ તે ગયો નહિ. આ બેમાંથી પિતાની આજ્ઞા કોણે પાળી? તેમણે જવાબ આપ્યો, પહેલા પુત્રે. ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: નાકાદારો અને વેશ્યાઓ તમારી પહેલાં ઈશ્વરના રાજમાં જાય છે. કારણ, બાપ્તિસ્મા કરનાર યોહાને તમને ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવાનો માર્ગ બતાવ્યો. તમે તેનું માન્યું નહિ, પણ નાકાદારો અને વેશ્યાઓએ તેનું માન્યું. અરે, તમે તો એ જોયા પછી પણ પાપથી પાછા ફર્યા નહિ કે તેનું માન્યું નહિ. ઈસુએ કહ્યું, બીજું એક ઉદાહરણ સાંભળો: એક જમીનદાર હતો. તેણે દ્રાક્ષવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, ખાડો ખોદીને દ્રાક્ષ પીલવાનો કુંડ બનાવ્યો અને ચોકી કરવાનો બુરજ બાંધ્યો. ત્યાર પછી દ્રાક્ષવાડી ખેડૂતોને ભો આપી તે પરદેશ મુસાફરીએ ગયો. દ્રાક્ષની મોસમ આવી, ત્યારે ફસલનો પોતાનો ભાગ લેવાને માટે તેણે પોતાના નોકરોને ખેડૂતો પાસે મોકલ્યા. ખેડૂતોએ એ નોકરોને પકડયા. કોઈને માર માર્યો, તો કોઈને મારી નાખ્યો, તો કોઈને પથ્થરે માર્યો. બીજીવાર માલિકે પ્રથમના કરતાં વધુ નોકરોને મોકલ્યા. પણ ખેડૂતોએ તેમની સાથેય પ્રથમના જેવું જ વર્તન કર્યું. આખરે માલિકે પોતાના પુત્રને મોકલ્યો અને કહ્યું, ’તેઓ જરૂર મારા પુત્રનું માન રાખશે.’ પણ જ્યારે પેલા ખેડૂતોએ તેના પુત્રને જોયો ત્યારે એકબીજાને કહ્યું, ’આ તો વારસદાર છે. ચાલો, આપણે તેને મારી નાખીએ એટલે તેનો વારસો આપણને મળશે.’ તેથી તેમણે પુત્રને પકડયો, દ્રાક્ષવાડીની બહાર ધકેલી દઈને તેને મારી નાખ્યો. ઈસુએ પૂછયું, તો હવે દ્રાક્ષવાડીનો માલિક પાછો આવશે ત્યારે આ ખેડૂતોને શું કરશે? તેમણે જવાબ આપ્યો, જરૂર તે આ દુષ્ટ માણસોને મારી નાખશે અને દ્રાક્ષની મોસમે તેનો ભાગ આપે એવા બીજા ખેડૂતોને સોંપશે. ઈસુએ તેમને કહ્યું, શાસ્ત્રમાં જે લખેલું છે તે તમે નથી વાંચ્યું? ’બાંધકામ કરનારાઓએ જે પથ્થરને નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન્યો છે. એ તો પ્રભુનું કાર્ય છે અને આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્‌ભૂત છે!’ ઈસુએ સાર આપતાં કહ્યું, તે જ પ્રમાણે ઈશ્વરનું રાજ તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને યોગ્ય ફળ આપનાર પ્રજાને આપવામાં આવશે. [આ પથ્થર પર જે પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે, અને જો આ પથ્થર કોઈના પર પડશે તો તે પથ્થર તેના ચૂરેચૂરા કરી નાખશે.] મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ ઈસુનાં આ ઉદાહરણો સાંભળ્યાં અને ઈસુ તેમને વિષે વાત કરે છે તે તેઓ સમજી ગયા. તેથી તેમણે ઈસુની ધરપકડ કરવાનો યત્ન કર્યો. પણ તેઓ લોકોથી ડરતા હતા. કારણ, લોકો ઈસુને ઈશ્વરના સંદેશવાહક માનતા હતા. લોકોની સાથે વાત કરતાં ઈસુએ ફરી ઉદાહરણ કહ્યું: ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક રાજાએ પોતાના પુત્રના લગ્ન નિમિત્તે ભોજન સમારંભ ગોઠવ્યો. રાજાએ પોતાના નોકરોને આમંત્રિત મહેમાનોને બોલાવવા મોકલ્યા. પણ તેઓ આવવા માગતા નહોતા. તેથી તેણે બીજા નોકરોને આમંત્રિતો પાસે આમ કહીને મોકલ્યા: ’મારું જમણ તૈયાર છે; બળદો અને માતેલાં પશુઓ કાપવામાં આવ્યાં છે. બધું તૈયાર છે. લગ્નજમણમાં જલદી પધારો!’ પણ આમંત્રિતોએ ગણકાર્યું નહીં, અને તેઓ પોતપોતાના કામે લાગ્યા. એક પોતાના ખેતરે ગયો, બીજો પોતાની દુકાને ગયો, જ્યારે બીજા કેટલાકે નોકરોને પકડયા અને માર મારીને મારી નાખ્યા. આથી રાજા ખૂબ જ ગુસ્સે થયો. તેણે પોતાના સૈનિકોની ટુકડી મોકલી. સૈનિકોએ પેલા ખૂનીઓને મારી નાખ્યા અને તેમનું શહેર પણ બાળી નાખ્યું. ત્યાર પછી રાજાએ નોકરોને બોલાવ્યા અને કહ્યું, ’મારું લગ્નજમણ તૈયાર છે. પણ જેમને મેં આમંત્રણ આપ્યું હતું, તેઓ તે માટે લાયક નથી. હવે તમે મુખ્ય રસ્તાઓ પર જાઓ અને તમને મળે તે બધાને બોલાવી લાવો.’ તેથી નોકરો મુખ્ય રસ્તાઓ પર ગયા અને તેમને મળ્યા તેવા સારાનરસા સૌને બોલાવી લાવ્યા અને ભોજનખંડ લોકોથી ચિકાર થઈ ગયો. રાજા મહેમાનોને મળવા ગયો. ત્યાં એક માણસે લગ્નમાં પહેરવાં જોઈતાં વસ્ત્રો પહેર્યાં ન હતાં. રાજાએ તેને જોયો અને પૂછયું, ’મિત્ર, લગ્નમાં પહેરવાનાં વસ્ત્ર પહેર્યા વર તું અહીં કેમ આવ્યો?’ પણ તે માણસ કંઈ જવાબ આપી શક્યો નહિ. ત્યારે રાજાએ નોકરોને કહ્યું, ’તેના હાથપ બાંધીને તેને બહાર અંધકારમાં ફેંકી દો. ત્યાં તે રડયા કરશે ને દાંત કટકટાવીને દુ:ખી થશે.’ ઈસુએ સાર આપતાં કહ્યું, આમંત્રણ ઘણાને આપવામાં આવ્યું છે, પણ થોડાને જ પસંદ કરવામાં આવેલા છે. પછી ફરોશીઓ બહાર ચાલ્યા ગયા અને તેમણે પ્રશ્ર્નો પૂછીને ઈસુને સપડાવવાની યોજના ઘડી કાઢી. ત્યાર પછી તેમણે પોતાના કેટલાક શિષ્યોને તથા હેરોદના પક્ષના કેટલાક સભ્યોને ઈસુની પાસે મોકલ્યા. તેમણે કહ્યું, ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ બોલો છો. વળી, તમે માણસના દરજ્જાની પરવા કર્યા વર માણસ માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો. તો અમને કહો, આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે પરદેશી રોમન સત્તાને કરવેરા ભરવા તે યોગ્ય છે કે નહિ? ઈસુને તેમની ચાલાકીની ખબર હતી. તેથી તેમણે જવાબ આપ્યો, ઓ દંભીઓ! શા માટે તમે મને ફસાવવા માગો છો? કરવેરા ભરવા માટેનો ચાંદીનો સિક્કો મને બતાવો. તેઓ તેમની પાસે એક સિક્કો લાવ્યા. ઈસુએ તેમને પૂછયું, આમાં કોની છાપ અને કોનું નામ છે? તેમણે જવાબ આપ્યો, રોમન સમ્રાટનાં. તેથી ઈસુએ કહ્યું, જે રોમન સમ્રાટનું છે તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે તે ઈશ્વરને ભરી દો. એ જવાબ સાંભળીને તેઓ તો આભા જ બની ગયા, અને ઈસુને મૂકીને ચાલ્યા ગયા. લોકો મરણમાંથી સજીવન થવાના નથી એવું માનનારા સાદૂકીઓ ઈસુની પાસે આવ્યા. તેમણે કહ્યું, ગુરુજી, મોશેએ શીખવ્યું છે કે જો કોઈ માણસ નિ:સંતાન મરી જાય, તો તે માણસના ભાઈએ પેલી વિધવા સાથે લગ્ન કરવું; જેથી મરી ગયેલા માણસનો વંશવેલો ચાલુ રહે. એકવાર સાત ભાઈઓ હતા. સૌથી મોટા ભાઈનું લગ્ન થયું, પણ તે નિ:સંતાન મરી ગયો. તેથી તેની વિધવા પત્ની તેના બીજા ભાઈની પત્ની થઈ. હવે બીજા, ત્રીજા અને સાતેય ભાઈના સંબંધમાં એવું જ બન્યું. છેલ્લે એ સ્ત્રી પણ મરી ગઈ. હવે પુનરુત્થાનને દિવસે જ્યારે બધાં મરેલાં સજીવન થશે ત્યારે તે કોની પત્ની થશે? કારણ, તે સાતેય પુરુષની પત્ની થઈ હતી. ઈસુએ તેમને જવાબ આપ્યો, ધર્મશાસ્ત્ર અને ઈશ્વરના સામર્થ્ય વિષે અજ્ઞાન હોવાથી તમે ભૂલ કરો છો. કારણ, જ્યારે મરેલાં સજીવન થશે ત્યારે તેઓ આકાશમાંના દૂતો જેવાં હશે અને પરણવા-પરણાવવાનું નહિ હોય. હવે મરેલાંને સજીવન કરવા સંબંધી ઈશ્વરે તમને જે કહ્યું છે તે શું તમે કદી વાંચ્યું નથી? ઈશ્વરે કહ્યું, ’હું અબ્રાહામનો ઈશ્વર છું, ઇસ્હાકનો ઈશ્વર છું, અને યાકોબનો ઈશ્વર છું,’ એનો અર્થ એ થયો કે તે મરેલાંઓના નહિ, પણ જીવતાંઓના ઈશ્વર છે. એ સાંભળીને લોકો તેમના શિક્ષણથી આભા બની ગયા. ઈસુએ સાદૂકીઓને ચૂપ કરી દીધા છે એ સાંભળીને ફરોશીઓ એકઠા થયા. તેમનામાંના નિયમશાસ્ત્રના એક શિક્ષકે ઈસુને પ્રશ્ર્ન પૂછી સપડાવવાનો યત્ન કર્યો. તેણે પૂછયું, ગુરુજી, નિયમશાસ્ત્રમાં સૌથી અત્યની આજ્ઞા કઈ છે? ઈસુએ જવાબ આપ્યો, ’તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી, એટલે કે, તારા સમગ્ર વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’ આ જ શ્રેઠ અને સૌથી અત્યની આજ્ઞા છે. બીજી સૌથી અત્યની આજ્ઞા આ છે: ’જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.’ મોશેના નિયમશાસ્ત્રનો અને સંદેશવાહકોનાં પુસ્તકોનો આધાર આ બે આજ્ઞાઓ પર રહેલો છે. જ્યારે ફરોશીઓ એકઠા થયા ત્યારે ઈસુએ તેમને પૂછયું, મસીહ વિષે તમે શું વિચારો છો? તે કોનો પુત્ર છે? તેમણે જવાબ આપ્યો, તે દાવિદનો પુત્ર છે. ઈસુએ પૂછયું, એમ શી રીતે બની શકે? તો પછી પવિત્ર આત્માએ તેને ’પ્રભુ’ કહેવાની પ્રેરણા દાવિદને કેમ આપી? કારણ, દાવિદ કહે છે: ’પ્રભુએ મારા પ્રભુને કહ્યું, હું તારા શત્રુઓને તારા પગ તળે મૂકું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’ જો દાવિદ પોતે તેને ’પ્રભુ’ કહે છે તો પછી મસીહ દાવિદનો પુત્ર કેવી રીતે હોઈ શકે? કોઈ ઈસુને જવાબ આપી શકાયું નહિ, અને તે દિવસથી ઈસુને પ્રશ્ર્નો પૂછવાની કોઈની હિંમત ચાલી નહિ. ઈસુએ જનસમુદાયને તથા પોતાના શિષ્યોને કહ્યું, નિયમશાસ્ત્રના શિક્ષકો તથા ફરોશીઓ મોશેના નિયમશાસ્ત્રનું સાચું અર્થઘટન કરવાનો અધિકાર ધરાવે છે. તેથી તેઓ તમને જે કંઈ ફરમાવે તેનું તમારે પાલન કરવું જોઈએ. પણ તેમના વર્તનનું અનુકરણ કરવું નહિ. કારણ, તેઓ જે સંદેશો આપે છે તે પ્રમાણે તેઓ વર્તતા નથી. તેઓ માણસોની પીઠ પર ભારે બોજ લાદે છે, પણ લોકોને તે બોજ ઊંચકાવવામાં આંગળી સરખીયે અડકાડતા નથી. તેઓ બધું દેખાવ પૂરતું જ કરે છે. તેમના કપાળ અને હાથ પર શાસ્ત્રવચનો ચર્મનાં મોટાં માદળિયાંમાં મૂકીને બાંધેલાં હોય છે, અને તેમના ઝભ્ભાની ઝૂલ કેટલી લાંબી હોય છે! ભોજનસમારંભોમાં તેમને મહત્ત્વનાં સ્થાન જોઈએ છે, અને ભજનસ્થાનમાં તેમને ખાસ મુખ્ય બેઠકો જોઈએ છે. જાહેર માર્ગો પર લોકો તેમને સલામ ભરે અને તેમને ગુરુ કહે તેમ તેઓ ઇચ્છે છે. તમે પોતાને ગુરુ તરીકે ઓળખાવો નહિ. કારણ, તમે એકબીજાના ભાઈઓ છો અને તમારે ફક્ત એક જ ગુરુ છે. વળી, પૃથ્વી પર તમે કોઈને પિતા કહેશો નહિ. કારણ, તમારે એક જ પિતા છે, જે આકાશમાં છે. વળી, કોઈ તમને પ્રભુ ન કહે, કારણ, તમારે એકમાત્ર પ્રભુ એટલે ખ્રિસ્ત છે. તમારામાં જે સૌથી મોટો હોય તે તમારો સેવક થાય. જે કોઈ પોતાને મહાન બનાવવા માગે છે, તેને નીચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નમ્ર કરશે તેને ઊંચો કરવામાં આવશે. ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે લોકોને માટે આકાશના રાજનું પ્રવેશદ્વાર બંધ કરો છો. તમે પોતે તેમાં પ્રવેશ કરતા નથી અને જેઓ પ્રવેશ કરવા ઇચ્છે છે તેમને જવા દેતા નથી. ચઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે વિધવાઓનાં ઘર લૂંટી લો છો અને પછી લાંબી લાંબી પ્રાર્થનાઓ દ્વારા દેખાવ કરો છો. આ બધાને લીધે તમને સખત સજા થશે.] ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે એક વ્યક્તિનું પરિવર્તન કરવા માટે સમુદ્ર અને પૃથ્વીને ખૂંદી વળો છો. પણ તમે સફળ થાઓ છો, ત્યારે તેને તમારા કરતાં બમણો નરકને પાત્ર બનાવો છો. ઓ આંધળા માર્ગદર્શકો, તમારી કેવી દુર્દશા થશે! તમે શીખવો છો કે જો કોઈ મંદિરના સમ ખાય તો તે સમથી બંધાતો નથી, પણ જો તે મંદિરમાંના સોનાના સમ ખાય તો તે સમથી બંધાય છે. ઓ મૂર્ખ આંધળાઓ! કઈ બાબત વધુ મહત્ત્વની છે? સોનું કે સોનાને પવિત્ર કરનાર મંદિર? તમે એવું પણ શીખવો છો કે જો કોઈ વેદીના સમ ખાય તો તે સમથી બંધાતો નથી, પણ જો તે વેદી પરના અર્પણના સોગન ખાય તો તે તેથી બંધાય છે. તમે કેવા આંધળા છો! કઈ બાબત વધુ મહત્ત્વની છે? અર્પણ કે અર્પણને પવિત્ર કરનાર વેદી? તેથી વેદીના સમ ખાનાર વેદી અને તેના પરના અર્પણના સમ ખાય છે. તે જ પ્રમાણે મંદિરના સમ ખાનાર મંદિરના અને મંદિરમાં વાસો કરનાર જીવંત ઈશ્વરના સોગન ખાય છે. અને આકાશના સમ ખાનાર ઈશ્વરના રાજ્યાસનના અને તેના ઉપર બિરાજનારના સમ ખાય છે. ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! મોસમની ઊપજમાંથી ફૂદીનો, કોથમીર અને જીરાનો પણ દસમો ભાગ તમે ધર્મદાનમાં આપો છો, પણ તમારામાં નિયમશાસ્ત્રની મહત્ત્વની બાબતો એટલે ન્યાય, દયા અને નિષ્ઠા નથી. આ બાબતો તમારે કરવી જોઈતી હતી, અને પેલી બાબતો પડતી મૂકવાની ન હતી. ઓ આંધળા માર્ગદર્શકો! તમે મચ્છરને ગાળી કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો! ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે થાળી વાટકાને બહારથી સ્વચ્છ કરો છો. પણ તેની અંદર તો લૂંટ અને શોષણ ભરેલાં છે. ઓ અંધ ફરોશી, થાળી વાટકાની અંદરની બાજુ પ્રથમ સાફ કર, એટલે બહારની બાજુ પણ સાફ થઈ જશે. ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે તો ધોળેલી કબર જેવા છો. જે બહારથી સુંદર દેખાય છે, પણ અંદર તો મરેલા માણસનાં હાડકાં અને દુર્ગંધ છે. તે જ પ્રમાણે બાહ્ય રીતે તમે લોકોની સમક્ષ ધાર્મિક દેખાઓ છો, પણ અંદરથી તો તમે દંભ અને પાપથી ભરેલા છો. ઓ ફરોશીઓ! ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો! ઓ દંભીઓ! તમારી કેવી દુર્દશા થશે! તમે સંદેશવાહકોને માટે સુંદર કબરો ચણાવો છો અને તિઠિત લોકોનાં સ્મારકો શણારો છો. અને તમે જાહેર કરો છો કે, ’જો અમે અમારા પૂર્વજોના સમયમાં જીવતા હોત તો અમે તેમની માફક સંદેશવાહકોનાં ખૂન કર્યાં ન હોત.’ આમ, તમે પોતે જ કબૂલ કરો છો કે તમે સંદેશવાહકોના ખૂનીઓના વંશજો છો! તો પછી તમારા પૂર્વજોએ જેની શરૂઆત કરી તેને પૂરું કરો. ઓ સર્પો, ઓ સર્પોના સંતાનો! નર્કની સજામાંથી તમે કેવી રીતે છટકી શકશો? તેથી હું તમારી મધ્યે સંદેશવાહકો, જ્ઞાનીઓ અને શિક્ષકો મોકલીશ. તેમાંના કેટલાકનું તમે ખૂન કરશો, કેટલાકને ક્રૂસે જડાવશો, જ્યારે કેટલાકને ભજનસ્થાનોમાં ચાબખા મરાવશો અને તેમને સતાવી સતાવીને એક ામથી બીજે ામ રઝળાવશો. પરિણામે, હાબેલના ખૂનથી માંડીને બારાખ્યાનો પુત્ર ઝખાર્યા, જેને મંદિર અને યજ્ઞવેદી વચ્ચે તમે મારી નાખ્યો તેના સુધીની બધી નિર્દોષ વ્યક્તિઓનું લોહી તમારે માથે આવશે. હું તમને સાચે જ કહું છું કે એ બધાં ખૂનોની સજા આ પેઢીએ ભોવવી પડશે. ઓ યરુશાલેમ, ઓ યરુશાલેમ! ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખનાર અને ઈશ્વરે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે સાચવી રાખે છે તેમ મેં કેટલી બધીવાર મારા લોકને બચાવવા ચાહ્યું, પણ તમે મને તેમ કરવા દીધું નહિ. જુઓ, તમારું ઘર ત્યજી દેવાયેલું અને ઉજ્જડ છે. હવે પછી, ’પ્રભુને નામે જે આવે છે તેને ઈશ્વર આશિષ આપો,’ એમ તમે મને નહિ કહો, ત્યાં સુધી તમે મને જોવાના નથી. ઈસુ ત્યાંથી નીકળીને બહાર જતા હતા ત્યારે તેમના શિષ્યો મંદિરનાં બાંધકામો બતાવવા તેમની પાસે આવ્યા. ઈસુએ તેમને કહ્યું, દેખાવમાં તે ઘણાં ભવ્ય છે. પણ હું તમને સાચે જ કહું છું કે આ જગ્યાએ એક પથ્થર પર બીજો પથ્થર રહેવા પામશે નહિ. એકેએક પથ્થર તોડી નાખવામાં આવશે. ઈસુ ઓલિવ પર્વત પર ગયા ત્યારે શિષ્યોએ તેમને ખાનગીમાં પૂછયું, આ બધી બાબતો ક્યારે બનશે તે અમને જણાવો. તમારા આગમનની અને દુનિયાના અંતની નિશાની તરીકે શું બનશે? ઈસુએ જવાબ આપ્યો, સાવધ રહો કે કોઈ તમને છેતરે નહિ. કારણ, ’હું મસીહ છું,’ એમ કહેતા મારું નામ લઈને ઘણા આવશે અને ઘણાઓને ભમાવશે. તમે નજીક ચાલતા યુદ્ધનો કોલાહલ અને દૂર ચાલતા યુદ્ધના સમાચાર સાંભળશો. પણ તેથી ગભરાશો નહિ. આ બધું બનવાની જરૂર છે. પણ તેનો અર્થ એવો નથી કે અંત આવી ચૂક્યો છે. દેશો અરસપરસ યુદ્ધમાં ઊતરશે. રાજ્યો એકબીજા પર હુમલો કરશે. ઠેર ઠેર દુકાળો પડશે અને ધરતીકંપો થશે. આ બધું તો સૂતિ પહેલાં થતા કષ્ટ જેવું છે. ત્યાર પછી તમારી ધરપકડ કરવામાં આવશે અને સજા પામવા માટે તમે સત્તાધારીઓને સોંપી દેવાશો અને તમને મોતની સજા થશે. મારા નામને લીધે બધી જાઓ તમને ધિક્કારશે. આ સમયે ઘણા પોતાના વિશ્વાસનો ત્યાગ કરશે. તેઓ એકબીજાને દગો દેશે અને ધિક્કારશે. વળી, ઘણા જુઠ્ઠા સંદેશવાહકો જાહેરમાં આવશે અને ઘણાને ભરમાવશે. દુષ્ટતા એટલી બધી વધી જશે કે એથી ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે. પણ અંત સુધી જે ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે. ઈશ્વરના રાજનો આ શુભસંદેશ સમગ્ર દુનિયામાં બધી પ્રજાઓને સાક્ષી તરીકે પ્રગટ કરવામાં આવે તે પછી જ અંત આવશે. સંદેશવાહક દાનિયેલે જે ઘૃણાસ્પદ વિનાશક વિષે જણાવ્યું છે તેને તમે પવિત્ર જગ્યાએ ઊભો રહેલો જોશો. [વાચકે તેનો અર્થ સમજી લેવો]. ત્યારે જેઓ યહૂદિયામાં હોય, તેમણે પહાડોમાં નાસી જવું. ઘરના ધાબા પર હોય તેમણે ઘરનો સામાન લેવા નીચે ન ઊતરવું. ખેતરમાં હોય તેમણે તેમનાં વસ્ત્રો લેવા પાછા જવું નહિ. ગર્ભવતી અને ધાવણાં બાળકોની માતાઓની તે દિવસોમાં કેવી ભયંકર દશા થશે! આ નાસભાગ શિષ્યાળામાં કે વિશ્રામવારને દિવસે ન બને તે માટે ઈશ્વરને પ્રાર્થના કરો. કારણ, પૃથ્વીના આરંભથી આજ દિન સુધીમાં કદી ન પડી હોય એવી ભયંકર એ વિપત્તિ હશે અને એવી વિપત્તિ ફરી કદી આવશે પણ નહિ. ઈશ્વરે એ વિપત્તિના દિવસોની સંખ્યા ઘટાડી ન હોત તો કોઈ ઊગરી શક્ત નહિ; પણ પોતાના પસંદ કરેલા લોકોને લીધે ઈશ્વર એ દિવસોની સંખ્યા ઘટાડશે. ત્યારે જો કોઈ તમને કહે કે, મસીહ અહીં અથવા ત્યાં છે તો તેનું માનતા નહિ. કારણ, જુઠ્ઠા મસીહો અને જુઠ્ઠા સંદેશવાહકો આવશે. શકાય હોય તો ઈશ્વરના પસંદ કરેલા લોકને પણ છેતરવાને માટે તેઓ મહાન ચિહ્નો અને અદ્‌ભૂત કાર્યો કરી બતાવશે. આ બધું મેં તમને પ્રથમથી જ જણાવી દીધું છે. કદાચ, કોઈ આવીને તમને કહે, ’તે ત્યાં વેરાન દેશમાં છે,’ તો ત્યાં જતા નહિ. અથવા એમ કહે, ’તે ત્યાં સંતાઈ રહ્યા છે,’ તો તે માનતા નહિ. કારણ, જેમ વીજળી આકાશમાં પૂર્વથી પશ્ચિમમાં ઝબકારો મારે છે તેમ માનવપુત્રનું આગમન થશે. જ્યાં મડદું હોય ત્યાં જ ગીધડાં ભેગાં થવાનાં. આ દિવસોની વિપત્તિઓ પછી તરત જ સૂર્ય પોતાનું તેજ ગુમાવશે અને ચંદ્ર પ્રકાશશે નહિ. આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશનાં નક્ષત્રો તેમના માર્ગમાંથી હટાવાશે. ત્યાર પછી માનવપુત્રના આગમનની નિશાની આકાશમાં દેખાશે. તે વખતે પૃથ્વીની બધી પ્રજાઓ વિલાપ કરશે અને તેઓ માનવપુત્રને સામર્થ્ય અને મહાન ગૌરવસહિત આકાશનાં વાદળો મધ્યે આવતા નિહાળશે. મોટું રણશિંગડું વગાડવામાં આવશે અને પૃથ્વીની ચારે દિશામાં તે પોતાના દૂતોને મોકલશે. તેઓ ક્ષિતિજના એક છેડેથી શરૂ કરીને બીજા છેડા સુધી જઈને ઈશ્વરના પસંદ કરેલા લોકોને એકત્ર કરશે. અંજીરી પરથી બોધપાઠ શીખો. જ્યારે તેની ડાળીઓ લીલી અને કુમળી બને છે અને પછી પાન ફૂટવા લો છે ત્યારે તમને ખબર પડી જાય છે કે હવે ઉનાળો આવી પહોંચ્યો છે. એ જ પ્રમાણે જ્યારે તમે આ બધા બનાવો બનતા જુઓ, ત્યારે તમને ખબર પડી જશે કે તે સમય એકદમ નજીક આવી પહોંચ્યો છે. હું તમને સાચે જ કહું છું: પ્રવર્તમાન પેઢી જતી રહે તે પહેલાં આ બધા બનાવો બનશે. આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ. તે દિવસ કે તે ઘડી ક્યારે આવશે તે એં કોઈને જાણ નથી. આકાશના દૂતો કે માનવપુત્રને પણ તેની ખબર નથી. પણ ફક્ત ઈશ્વરપિતા જ તે જાણે છે. નૂહના સમયમાં જે બન્યું તેવું જ માનવપુત્રના આગમનને સમયે પણ થશે. જળપ્રલય પહેલાં નૂહ વહાણમાં ગયો તે દિવસ સુધી લોકો ખાતા અને પીતા હતા, તથા લગ્ન કરતા અને કરાવતા હતા. જળપ્રલય આવીને તે બધાંને ઘસડી ન ગયો ત્યાં સુધી શું બની રહ્યું હતું તેની તેમને ખબર પડી નહિ. જ્યારે માનવપુત્ર આવશે ત્યારે પણ એવું જ બનશે. તે સમયે બે પુરુષો ખેતરમાં કામ કરતા હશે. એક લેવાશે અને બીજો પડતો મુકાશે. બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે. એક લેવાશે અને બીજી પડતી મુકાશે. સાવધ રહો. કારણ, તમારા પ્રભુ કયે દિવસે આવશે તેની તમને ખબર નથી. તમે એટલું સમજી લો કે, જો ઘરના માલિકને ખબર પડી જાય કે ચોર ક્યારે આવવાનો છે તો તે જાતો રહેશે અને ચોરને તેના ઘરમાં ચોરી કરવા દેશે નહિ. તેથી તમારે પણ હંમેશાં તૈયાર રહેવું જોઈએ. કારણ, તમે ધારતા નહિ હો તેવે સમયે માનવપુત્ર આવશે. પોતાના શેઠે બીજા નોકરોને યોગ્ય સમયે ખોરાક આપવા તેમનો ઉપરી ઠરાવ્યો હોય એવો વિશ્વાસુ અને બુદ્ધિશાળી નોકર કોણ છે? શેઠ જ્યારે ઘેર આવે ત્યારે એવા નોકરને તેનું કાર્ય કરતો જુએ તો તેને ધન્ય છે! હું તમને સાચે જ કહું છું: આવા નોકરને તો શેઠ પોતાની સમગ્ર સંપત્તિનો કારભાર સોંપશે. પણ જો તે નોકર મૂર્ખ હોય અને એમ વિચારે કે, ’મારો શેઠ લાંબા સમય સુધી પાછો આવવાનો નથી,’ અને તેથી તે તેના સાથી નોકરોને માર મારે અને દારૂડિયાઓની સાથે ખાયપીએ, તો તે ધારતો નથી તેવી ઘડીએ તેનો શેઠ પાછો આવશે. એ નોકરના કાપીને ટુકડેટુકડા કરી નાખશે અને દંભીઓના જેવા તેના હાલ કરશે. ત્યાં રડવાનું અને દાંત કટકટાવાનું થશે. ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: દસ કન્યાઓ પોતાના દીવા સળગાવીને વરરાજાને મળવા ગઈ. તેઓમાં પાંચ મૂર્ખ હતી અને પાંચ સમજુ હતી. મૂર્ખ કન્યાઓએ પોતાના દીવા તો સાથે લીધા, પણ સાથે તેલ લીધું નહિ. જ્યારે સમજુ કન્યાઓએ પોતાના દીવાઓની સાથે પૂરતું તેલ કુપ્પીઓમાં લઈ લીધું. વરરાજાને આવતાં મોડું થઈ ગયું. તેથી કન્યાઓ ઝોકા ખાવા લાગી અને છેવટે ઊંઘી ગઈ. મધરાતે પોકાર પડયો, ’વરરાજા આવી ગયા છે; તેમને મળવા માટે આવો.’ દસે કન્યાઓ જાગી ગઈ અને પોતાના દીવા સળાવ્યા. ત્યાર પછી મૂર્ખ કન્યાઓએ સમજુ કન્યાઓને કહ્યું, ’તમારી પાસે જે તેલ છે તેમાંથી થોડું અમને આપો. કારણ, અમારા દીવા હોલવાઈ જાય છે.’ સમજુ કન્યાઓએ જવાબ આપ્યો, ’ના, આપણ બધાંને પૂરતું થઈ રહે તેટલું તેલ નથી. બજારમાં જાઓ અને તમારે માટે વેચાતું લઈ આવો.’ તેથી મૂર્ખ કન્યાઓ બજારમાં તેલ ખરીદવા ગઈ. તેવામાં વરરાજા આવ્યા. જે પાંચ કન્યાઓ તૈયાર હતી તે વરરાજા સાથે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરી દેવામાં આવ્યું. પાછળથી બીજી કન્યાઓ પણ આવી પહોંચી. તેમણે બૂમ પાડી, ’પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણું ઉઘાડો!’ પણ વરરાજાએ જવાબ આપ્યો, ’ના રે ના, હું તમને ઓળખતો જ નથી.’ ઈસુએ સાર આપતાં કહ્યું, સાવધ રહો, કારણ, તે દિવસ કે ઘડીની તમને ખબર નથી. ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસ ઘર છોડીને લાંબી મુસાફરીએ જવાનો હતો. તેણે પોતાના સેવકોને બોલાવ્યા અને તેમને મિલક્તનો વહીવટ સોંપ્યો. દરેકને પોતાની આવડતના પ્રમાણમાં આપવામાં આવ્યું. એકને તેણે પાંચ હજાર સિક્કા આપ્યા, બીજાને બે હજાર અને ત્રીજાને એક હજાર. ત્યાર પછી તે મુસાફરીએ ગયો. જે સેવકને પાંચ હજાર મળ્યા હતા તેણે વેપારમાં પૈસા રોકીને બીજા પાંચ હજારનો નફો કર્યો. એ જ પ્રમાણે જે સેવકને બે હજાર મળ્યા હતા તેણે બીજા બે હજારનો નફો કર્યો. પણ જે સેવકને એક હજાર મળ્યા હતા તેણે જઈને જમીનમાં ખાડો ખોદીને પોતાના માલિકના પૈસા સંતાડી રાખ્યા. ઘણા લાંબા સમય પછી એ સેવકોનો માલિક ઘેર પાછો આવ્યો અને તેમની પાસે હિસાબ માગ્યો. જે સેવકને પાંચ હજાર સિક્કા મળ્યા હતા તેણે આવીને બીજા પાંચ હજાર પણ આપ્યા. તેણે કહ્યું, ’સાહેબ, તમે મને પાંચ હજાર સિક્કા આપ્યા હતા, પણ તેમાંથી મેં બીજા પાંચ હજારનો નફો કર્યો છે.’ માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે. તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’ ત્યાર પછી જે સેવકને બે હજાર સિક્કા આપવામાં આવ્યા હતા તે આવ્યો અને કહ્યું, ’સાહેબ, તમે મને બે હજાર સિક્કા આપ્યા હતા, પણ તેમાંથી મેં બીજા બે હજારનો નફો કર્યો છે.’ માલિકે કહ્યું, ’શાબાશ! સારા અને વફાદાર સેવક! તું નાની બાબતમાં વિશ્વાસુ માલૂમ પડયો છે તેથી હું તને મોટાં કામ સોંપીશ. તારા માલિકના આનંદમાં ભાગીદાર થા.’ ત્યાર પછી જે સેવકને એક હજાર સિક્કા આપવામાં આવ્યા હતા તે આવ્યો અને કહ્યું, ’સાહેબ, મને ખબર છે કે તમે કડક માણસ છો. જ્યાં તમે વાવ્યું નથી ત્યાંથી કાપણી કરો છો અને જ્યાં ઊપણ્યું નથી ત્યાંથી અનાજ એકઠું કરો છો. તેથી મને બીક લાગી અને મેં જમીનમાં ખાડો ખોદીને તમારા પૈસા સંતાડી દીધા હતા. લો, તમારા પૈસા!’ માલિકે કહ્યું, ’અરે દુષ્ટ, આળસુ નોકર! તને ખબર હતી કે જ્યાં મેં વાવ્યું નથી ત્યાંથી હું કાપણી કરું છું અને જ્યાં મેં ઊપણ્યું નથી ત્યાંથી હું અનાજ એકઠું કરું છું, તો પછી તારે મારા પૈસા શરાફને ત્યાં વ્યાજે તો મૂકવા જોઈતા હતા! તેથી જ્યારે હું પાછો આવ્યો, ત્યારે વ્યાજ સાથે તો તે મને પાછા મળ્યા હોત ને! તો હવે તેની પાસે જે સિક્કા છે તે લઈ લો અને જેની પાસે દસ હજાર સિક્કા છે તેને આપો. કારણ, જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે પુષ્કળ થશે. પણ જેની પાસે કંઈ નફો નથી, તેની પાસે જે થોડું છે તે પણ લઈ લેવામાં આવશે. આ આળસુ નોકરને બહારના અંધકારમાં નાખી દો. ત્યાં તે વિલાપ કરશે ને દાંત કટકટાવશે. જ્યારે માનવપુત્ર રાજા તરીકે પોતાના બધા દૂતોની સાથે ગૌરવસહિત આવશે ત્યારે તે પોતાના રાજ્યાસન પર બિરાજશે. અને બધી પ્રજાઓ તેમની પાસે એકઠી થશે. ત્યારે, જેમ ભરવાડ ઘેટાંને બકરાંથી જુદાં કરે છે, તેમ તે લોકોને બે ભાગમાં વહેંચી નાખશે. ઘેટાંને પોતાની જમણી તરફ અને બકરાંને ડાબી તરફ રાખશે. ત્યાર પછી જમણી તરફના લોકોને રાજા કહેશે, ’મારા પિતાથી આશિષ પામેલાઓ, આવો, આ સૃષ્ટિના સર્જન પહેલાં જે રાજ તમારે માટે તૈયાર કરવામાં આવેલું છે તેનો વારસો પામો. હું ભૂખ્યો હતો અને તમે મને ખોરાક આપ્યો. હું તરસ્યો હતો અને તમે મને પાણી પાયું. હું અજાણ્યો હતો ત્યારે તમે તમારાં ઘરોમાં મને આવકાર આપ્યો. હું નિર્વસ્ત્ર હતો અને તમે મને વસ્ત્ર આપ્યાં. હું બીમાર હતો ત્યારે તમે મારી ખબર કાઢી અને જેલમાં હતો ત્યારે તમે મારી મુલાકાત લીધી. એ સમયે ન્યાયીઓ જવાબ આપશે, ’પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા કે તરસ્યા જોયા અને ખોરાક કે પાણી આપ્યાં? ક્યારે અમે તમને અજાણી વ્યક્તિ તરીકે જોયા ને અમારાં ઘરોમાં આવકાર આપ્યો કે નિર્વસ્ત્ર જોઈને વસ્ત્રો આપ્યાં? ક્યારે તમે બીમાર કે જેલમાં હતા ને અમે તમારી મુલાકાત લીધી?’ રાજા વળતો જવાબ આપશે, ’હું તમને સાચે જ કહું છું: જ્યારે આ મારા નાના ભાઈઓમાંના એકને તમે એ મદદ કરી ત્યારે તે તમે મારે માટે કર્યું.’ ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો. મને ભૂખ લાગી હતી, પણ તમે મને ખોરાક આપ્યો નહિ. મને તરસ લાગી હતી, પણ તમે મને પાણી પાયું નહિ. હું અજાણી વ્યક્તિ હતો, પણ તમે મને તમારાં ઘરોમાં આવકાર આપ્યો નહિ, નિર્વસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્રો પહેરાવ્યાં નહિ, હું બીમાર હતો અને જેલમાં હતો તો પણ તમે મારી મુલાકાત લીધી નહિ.’ ત્યારે તેઓ જવાબ આપશે, ’પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા કે તરસ્યા કે અજાણી વ્યક્તિ કે નગ્ન કે બીમાર કે જેલમાં જોયા અને તમને મદદ કરી નહિ?’ રાજા તેમને વળતો જવાબ આપશે, ’હું તમને સાચે જ કહું છું: જ્યારે આ નાનાઓમાં એકને મદદ કરવાનો તમે ઇનકાર કર્યો ત્યારે તે તમે મારે માટે કર્યું નહિ.’ એ લોકોને સાર્વકાલિક સજાને માટે મોકલી આપવામાં આવશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવન મેળવશે. આ બધી બાબતોનું શિક્ષણ પૂરું કર્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, તમે જાણો છો કે બે દિવસ પછી પાસ્ખાનું પર્વ છે, તે સમયે માનવપુત્રને ક્રૂસે જડાવા માટે સોંપી દેવામાં આવશે. ત્યાર પછી મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનો મુખ યજ્ઞકાર કાયાફાસના મહેલમાં એકત્ર થયા, અને ઈસુની છળકપટથી ધરપકડ કરી તેમને મારી નાખવા યોજના ઘડી કાઢી. પણ તેમણે કહ્યું, પર્વના સમયે આપણે એ કરવું નથી, કદાચ લોકો દંગલ મચાવે. ઈસુ બેથાનિયામાં સિમોન કોઢીના ઘરમાં હતા. તે વખતે એક સ્ત્રી આરસપહાણની શીશીમાં ખૂબ કીમતી અત્તર લઈને આવી. તેણે તે અત્તર ઈસુ જમતા હતા ત્યારે તેમના માથા પર રેડયું. તે જોઈને શિષ્યો ખૂબ ગુસ્સે થયા. તેમણે કહ્યું, આ દુર્વ્યય શા માટે? આ અત્તર મોટી કિંમતે વેચીને તે પૈસા ગરીબોને દાનમાં આપી શકાત. તેઓ જે કહેતા હતા તેની ઈસુને ખબર હતી. તેથી તેમણે તેમને કહ્યું, તમે આ સ્ત્રીને શા માટે હેરાન કરો છો? તેણે મારે માટે ઉમદા કામ કર્યું છે. ગરીબો તો હંમેશાં તમારી સાથે રહેવાના છે, પણ હું તમારી સાથે હંમેશાં રહેવાનો નથી. તેણે મારા શરીરને અત્તર ચોળીને તેને દફન માટે અગાઉથી તૈયાર કર્યું છે. હું તમને સાચે જ કહું છું: સમગ્ર દુનિયામાં જ્યાં જ્યાં આ શુભસંદેશ પ્રગટ કરવામાં આવશે ત્યાં ત્યાં આ સ્ત્રીએ મારે માટે જે કર્યું છે તે તેની યાદગીરી માટે કહેવામાં આવશે. પછી બાર શિષ્યોમાંના યહૂદા ઈશ્કારિયોતે મુખ્ય યજ્ઞકારો પાસે જઈને કહ્યું, ઈસુની ધરપકડ કરાવવામાં હું તમને મદદ કરું તો તમે મને શું આપશો? તેમણે તેને ચાંદીના ત્રીસ સિક્કા ગણી આપ્યા. એ સમયથી યહૂદા ઈસુને પકડાવી દેવાનો લાગ શોધતો હતો. ખમીરરહિત રોટલીના પર્વને પ્રથમ દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને પૂછયું, તમારે માટે પાસ્ખાનું ભોજન અમે કયા સ્થળે તૈયાર કરીએ? તમારી શી ઇચ્છા છે? ઈસુએ જવાબ આપ્યો, શહેરમાં એક માણસની પાસે જાઓ, અને તેને કહો: ગુરુએ કહ્યું છે કે, મારો સમય પાકી ચૂક્યો છે. હું અને મારા શિષ્યો તમારે ઘેર પાસ્ખાનું પર્વ પાળીશું. ઈસુની આજ્ઞા પ્રમાણે જઈને શિષ્યોએ પાસ્ખાનું ભોજન તૈયાર કર્યું. સાંજ પડી ત્યારે ઈસુ તેમના બાર શિષ્યો સાથે જમવા બેઠા. જમતી વખતે ઈસુએ કહ્યું, હું તમને સાચે જ કહું છું કે તમારામાંનો એક મારી ધરપકડ કરાવશે. શિષ્યો બહુ ગમગીન થઈ ગયા અને એક પછી એક ઈસુને પૂછવા લાગ્યા, પ્રભુ, શું એ હું છું? ઈસુએ જવાબ આપ્યો, જે મારી થાળીમાં રોટલી બોળે છે તે જ મારી ધરપકડ કરાવશે. શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે માનવપુત્ર મરણ પામશે, પણ જે માણસ માનવપુત્રની ધરપકડ કરાવશે તેને હાય હાય! જો તે જનમ્યો જ ન હોત તો તે તેને માટે સારું થાત! ત્યારે ધરપકડ કરાવનાર યહૂદા બોલી ઊઠયો, ગુરુજી, એ હું તો નથી ને? ઈસુએ જવાબ આપ્યો, તું જ તે કહે છે. તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લીધી, સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપતાં કહ્યું, લો, ખાઓ, આ મારું શરીર છે. પછી તેમણે પ્યાલો લીધો, ઈશ્વરની સ્તુતિ કરી અને તે તેમને આપતાં કહ્યું, તમે બધા એમાંથી પીઓ. ઈશ્વરના [નવા] કરારને મંજૂર કરનાર આ મારું રક્ત છે. ઘણાંઓને પાપની માફી મળે તે માટે એ રેડાનાર છે. હું તમને કહું છું: મારા પિતાના રાજમાં હું નવો દ્રાક્ષારસ ન પીઉં, ત્યાં સુધી હું દ્રાક્ષારસ પીનાર નથી. ત્યાર પછી ગીત ગાઈને તેઓ ઓલિવ પર્વત તરફ ચાલી નીકળ્યા. ઈસુએ તેમને કહ્યું, આજ રાત્રે તમારા બધાનો મારા પરનો વિશ્વાસ ડગી જશે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે, ’હું ઘેટાંપાળકને મારી નાખીશ એટલે બધાં ઘેટાં વિખેરાઈ જશે.’ પણ મને સજીવન કરવામાં આવશે ત્યારે હું તમારી પહેલાં ગાલીલમાં જઈશ. પિતર જલદીથી બોલી ઊઠયો, જોકે તમારા પરનો બધાનો વિશ્વાસ ડગી જાય તો પણ મારો વિશ્વાસ તો કદી નહિ ડગે. ઈસુએ પિતરને જવાબ આપ્યો, હું તને સાચે જ કહું છું: આજ રાત્રે કૂકડો બોલે તે પહેલાં તું મને ઓળખતો નથી એમ તું ત્રણવાર કહીશ. પિતરે જવાબ આપ્યો, જોકે મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર કદી નહિ કરું. બાકીના બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું. ઈસુ પોતાના શિષ્યો સાથે ગેથસેમાને નામના સ્થળે ગયા. તેમણે શિષ્યોને કહ્યું, હું ત્યાં જઈને પ્રાર્થના કરું, ત્યાં સુધી તમે અહીં બેસો. પિતર અને ઝબદીના બે પુત્રોને તેમણે પોતાની સાથે લીધા. તે શોક અને દુ:ખમાં ડૂબી ગયા. તેમણે તેમને કહ્યું, મારા હૃદયમાં પારાવાર શોક છે, અને જાણે કે હું મરી જતો હોઉં તેમ મને લો છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો. પછી ઈસુ થોડેક દૂર ગયા અને તેમણે ભૂમિ પર ઊંધે મુખે શિર ટેકવીને પ્રાર્થના કરી, હે પિતા, શકાય હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો! તેમ છતાં મારી નહિ, પણ તમારી જ ઇચ્છા પૂર્ણ થાઓ. ત્યાર પછી તે શિષ્યો પાસે પાછા આવ્યા. પણ તેઓ તો ઊંઘી ગયા હતા. તેમણે પિતરને કહ્યું, તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી શક્યા નહિ? જાગતા રહો અને પ્રાર્થના કરો; જેથી તમે પ્રલોભનમાં ન પડો. આત્મા તત્પર છે, પણ દેહ નિર્બળ છે. ઈસુએ ફરીથી દૂર જઈને પ્રાર્થના કરી: હે પિતા, જો આ પ્યાલો હું પીઉં તે સિવાય દૂર ન થઈ શકે તો તમારી ઇચ્છા પૂર્ણ થાઓ. તે શિષ્યો પાસે ફરીથી પાછા આવ્યા, પણ તેઓ ઊંઘી ગયા હતા. કારણ, તેમની આંખો ઊંઘથી ઘેરાઈ ગઈ હતી. ઈસુ ફરીવાર તેમનાથી દૂર ગયા અને ત્રીજી વાર એના એ જ શબ્દોમાં પ્રાર્થના કરી. ત્યાર પછી શિષ્યો પાસે પાછા આવીને તેમને કહ્યું, તમે હજુ પણ ઊંઘો છો? આરામ કરો છો? માનવપુત્રને પાપીઓના હાથમાં સોંપાઈ જવાનો સમય આવી પહોંચ્યો છે. ઊઠો, ચાલો જઈએ. કારણ, આ રહ્યો મને પકડાવી દેનાર! હજુ તો ઈસુ બોલતા હતા એટલામાં બાર શિષ્યોમાંનો એક, એટલે યહૂદા આવી પહોંચ્યો. તેની સાથે મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ મોકલેલા લોકોનું મોટું ટોળું હતું. તેમની પાસે તલવારો અને લાઠીઓ હતી. દગાખોર યહૂદાએ તેમને સંકેત આપ્યો હતો: જેને ચુંબન કરું, તે જ તે માણસ હશે. તેને પકડી લેજો. યહૂદા આવ્યો કે તરત જ ઈસુની પાસે ગયો અને ગુરુજી, સલામ એમ કહીને તેણે તેમને ચુંબન કર્યું. ઈસુએ જવાબ આપ્યો, મિત્ર, જે કરવાનો હોય તે જલદી કર. પછી લોકોએ આવીને ઈસુની ધરપકડ કરી. ઈસુની સાથે જેઓ હતા તેમનામાંના એકે પોતાની તલવાર કાઢીને મુખ્ય યજ્ઞકારના નોકરનો કાન કાપી નાખ્યો. ત્યારે ઈસુએ તેને કહ્યું, તારી તલવાર તેના મ્યાનમાં પાછી મૂક. કારણ, જે તલવાર ચલાવે છે તે તલવારથી જ માર્યો જશે. શું તને ખબર નથી કે જો હું મારા પિતાની મદદ માગું તો તે તરત જ દૂતોના સૈન્યની બારથી પણ વધારે ટુકડીઓ મોકલી આપશે? પણ જો તેમ કરવામાં આવે તો શાસ્ત્રમાં આ રીતે એ બનવું જોઈએ તેમ લખવામાં આવ્યું છે તે કેવી રીતે પરિપૂર્ણ થાય? ત્યાર પછી ઈસુએ લોકોને કહ્યું, જેમ કોઈ બળવાખોરને પકડવા તલવાર અને લાઠીઓ લઈને જાય તેમ તમે મને પકડવા આવ્યા છો? દિનતિદિન મંદિરમાં હું શિક્ષણ આપતો હતો પણ ત્યારે તમે મારી ધરપકડ કરી નહિ. શાસ્ત્રમાં સંદેશવાહકોએ જે લખેલું છે તે પરિપૂર્ણ થાય માટે આ બધું બન્યું. ત્યાર પછી બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા. ઈસુની ધરપકડ કરીને તેઓ તેમને મુખ યજ્ઞકાર ક્યાફા પાસે લઈ ગયા. ત્યાં નિયમશાસ્ત્રના શિક્ષકો અને યહૂદી આગેવાનો એકત્ર થયા હતા. પિતર દૂર રહીને તેમની પાછળ પાછળ છેક મુખ યજ્ઞકારના ઘરના ચોક સુધી સાથે ગયો. તે અંદર ગયો અને શું પરિણામ આવે છે તે જાણવા માટે નોકરોની સાથે બેસી ગયો. મુખ્ય યજ્ઞકારોએ અને સમગ્ર ન્યાયસભાએ ઈસુને મારી નાખવા માટે ખોટો પુરાવો શોધવા યત્નો કર્યા. ઘણાઓએ આવીને જુઠ્ઠી સાક્ષી આપી. છતાં તેમને કોઈ પુરાવો મળ્યો નહિ. અંતે બે માણસો તૈયાર થયા અને તેમણે કહ્યું, આ માણસે આવું કહ્યું છે: ’હું ઈશ્વરના મંદિરને તોડી પાડવા અને ત્રણ જ દિવસમાં બાંધવા સમર્થ છું.’ મુખ યજ્ઞકારે ઊભા થઈને ઈસુને પૂછયું, તારી પર મૂકવામાં આવેલા આરોપનો તારી પાસે કોઈ બચાવ નથી? પણ ઈસુ શાંત રહ્યા. મુખ યજ્ઞકારે ફરીથી તેમને પૂછયું, જીવંત ઈશ્વરના સોંગદ લઈને કહે; શું તું ઈશ્વરનો પુત્ર ખ્રિસ્ત છે? ઈસુએ જવાબ આપ્યો, તમે પોતે જ તે કહો છો. પણ હું તમને કહું છું કે એક સમયે તમે માનવપુત્રને સર્વસમર્થ ઈશ્વરની જમણી તરફ બિરાજેલો અને આકાશનાં વાદળો પર આવતો જોશો. મુખ યજ્ઞકારે પોતાનાં વસ્ત્ર ફાડીને કહ્યું, તેણે ઈશ્વરનિંદા કરી છે. આપણે હવે બીજી કોઈ સાક્ષીની જરૂર રહેતી નથી. તમે અહીં જ ઈશ્વરનિંદા સાંભળી છે. તમારો શો ચુકાદો છે? તેમણે જવાબ આપ્યો, તે મોતની સજાને પાત્ર છે. પછી તેઓ તેમના મુખ પર થૂંક્યા અને તેમને માર માર્યો. તેમણે તેમને તમાચા માર્યા અને કહ્યું, હે ખ્રિસ્ત, તને કોણે માર્યો તે કહે. પિતર બહાર ચોકમાં બેઠો હતો. મુખ યજ્ઞકારની એક નોકરડીએ તેની પાસે આવીને કહ્યું, તું પણ ગાલીલના ઈસુની સાથે હતો. પણ તે સર્વની સમક્ષ પિતરે નકાર કર્યો. તું શી વાત કરે છે તે પણ મને સમજાતી નથી. પછી તે ચોકના પ્રવેશદ્વાર આગળ ચાલ્યો ગયો. બીજી નોકરડીએ તેને જોયો. તેણે ત્યાં બેઠેલા માણસોને કહ્યું, તે નાઝરેથના ઈસુની સાથે જ હતો. પિતરે તે વાતનો નકાર કર્યો અને જવાબ આપ્યો, હું સોંગદ ખાઈને કહું છું કે હું તેને ઓળખતો જ નથી. થોડા સમય પછી ત્યાં ઊભેલા કેટલાક લોકો પિતરની પાસે આવ્યા અને તેમણે કહ્યું, તું તેમનામાંનો જ છે. તારી બોલી જ તેની સાબિતી છે. પિતર શાપ દેવા અને સમ ખાવા લાગ્યો, જો હું સાચું બોલતો ન હોઉં તો ઈશ્વર મને સજા કરો. હું તેને ઓળખતો નથી! ત્યાર પછી તરત જ કૂકડો બોલ્યો. ઈસુએ પિતરને જે કહ્યું હતું તે તેને યાદ આવ્યું, કૂકડો બોલે તે પહેલાં તું મને ઓળખતો નથી એમ તું ત્રણવાર કહીશ. પછી તે બહાર જઈને હૈયાફાટ રડયો. વહેલી સવારમાં મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ ઈસુને મોતની સજા થાય તેવી યોજના ઘડી કાઢી. તેઓ તેમને બાંધીને લઈ ગયા અને રોમન રાજ્યપાલ પિલાતને સોંપી દીધા. ઈસુની ધરપકડ કરાવનાર યહૂદાને જ્યારે ખબર પડી કે તેમને દોષિત ઠરાવવામાં આવ્યા છે ત્યારે તેને પોતાના પાપનું ભાન થયું અને ચાંદીના ત્રીસ સિક્કા લઈને તે મુખ્ય યજ્ઞકારો તથા આગેવાનો પાસે ગયો અને કહ્યું, એક નિર્દોષ ખૂન કરાવવા દગો કરીને મેં પાપ કર્યું છે. તેમણે જવાબ આપ્યો, તેમાં અમારે શું? તારું પાપ તારે માથે! યહૂદાએ મંદિરમાં જ પૈસા ફેંકી દીધા અને ત્યાંથી નીકળી જઈને ફાંસો ખાઈને આપઘાત કર્યો. મુખ્ય યજ્ઞકારોએ પૈસા ઉઠાવી લીધા અને કહ્યું, આ તો લોહીના પૈસા છે અને તેને મંદિરમાં જમા કરવા એ આપણા નિયમશાસ્ત્રની વિરુદ્ધ છે. ત્યાર પછી તેઓ એવા નિર્ણય પર આવ્યા કે કુંભારનું ખેતર ખરીદીને તેમાં પરદેશીઓ માટે કબ્રસ્તાન બનાવવું. તેથી આજ સુધી તે ખેતરને હાકેલદામા એટલે, લોહીનું ખેતર કહેવામાં આવે છે. ત્યારે સંદેશવાહક યર્મિયાએ જે કહ્યું હતું તે પરિપૂર્ણ થયું. ઈશ્વરે મને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલ લોકો તેને માટે જે રકમ ચૂકવવા સંમત થયા હતા તે, એટલે કે ચાંદીના ત્રીસ સિક્કા લઈને તેમણે કુંભારનું ખેતર ખરીદયું. ઈસુને રાજ્યપાલની સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને તેમણે સવાલ પૂછયો, શું તું યહૂદીઓનો રાજા છે? ઈસુએ જવાબ આપ્યો, તમે જ તે પ્રમાણે કહો છો. મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોના આરોપ વિષે તેમણે મૌન સેવ્યું. આથી પિલાતે ફરી પૂછયું, આ લોકો જે આરોપ મૂકે છે તે તું સાંભળતો નથી? પણ ઈસુ જવાબમાં એકપણ શબ્દ બોલ્યા નહિ. આથી રાજ્યપાલને ભારે આશ્ચર્ય થયું. પાસ્ખાના પ્રત્યેક પર્વ વખતે લોકો માગણી કરે તે કેદીને રાજ્યપાલ મુક્ત કરે એવી પ્રથા હતી. આ વખતે પણ ઈસુ - બારાબાસ કરીને એક નામચીન કેદી હતો. જ્યારે ટોળું એકઠું થયું ત્યારે પિલાતે તેમને પૂછયું, તમારી શી ઇચ્છા છે? તમારે માટે હું કોને મુક્ત કરું? ઈસુ જે બારાબાસ કહેવાય છે તેને કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને? તેને ખબર હતી કે અધિકારીઓ ઈર્ષાને લીધે જ ઈસુને પકડી લાવ્યા હતા. જ્યારે પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો ત્યારે તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો, તે નિર્દોષને તું કંઈ સજા કરીશ નહિ; કારણ, ગઈ રાત્રે સ્વપ્નમાં તેને લીધે મને ઘણું દુ:ખ થયું છે. પિલાત બારાબાસને મુક્ત કરે અને ઈસુને મોતની સજા ફરમાવે તે માગણી ચાલુ રાખવા માટે મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોએ લોકોને ઉશ્કેરવાનું ચાલુ રાખ્યું. રાજ્યપાલે તેમને પૂછયું, આ બેમાંથી તમારે માટે હું કોને મુક્ત કરું? તમારી શી ઇચ્છા છે? તેઓ બધા બોલી ઊઠયા, બારાબાસને! પિલાતે પૂછયું, તો પછી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું? તેમણે જવાબ આપ્યો, તેને ક્રૂસે જડી દો. પણ પિલાતે પૂછયું, સજા થાય તેવો કયો ગુનો તેણે કર્યો છે? ત્યારે તેમણે જોરથી ઘાંટા પાડયા, તેને ક્રૂસે જડી દો. પિલાતે જોયું કે રાહ જોવાથી કશો ફાયદો થવાનો નથી, પણ કદાચ હુલ્લડ ફાટી નીકળે. આથી તેણે પાણી લીધું અને પોતાના હાથ ટોળાંની સમક્ષ ધોઈ નાખતાં કહ્યું, આ માણસના મોતને માટે હું જવાબદાર નથી! તમારું પાપ તમારે માથે. ત્યારે ટોળાંએ જવાબ આપ્યો, એના ખૂનની જવાબદારી ભલે અમારા અને અમારાં સંતાનોને શિર આવે! ત્યાર પછી પિલાતે તેમને માટે બારાબાસને છોડી મૂકાયો, જ્યારે ઈસુને ચાબખા મરાવીને ક્રૂસે જડવા માટે સોંપી દીધા. ત્યાર પછી પિલાતના સૈનિકો ઈસુને રાજ્યપાલના મહેલમાં લઈ ગયા અને સૈનિકોની ટુકડી તેમની આસપાસ એકઠી થઈ. તેમણે ઈસુનાં કપડાં ઉતારી લીધાં અને તેમને જાંબુડી રંગનો ઝભ્ભો પહેરાવ્યો. કાંટાની ડાળીઓમાંથી મુગટ ગૂંથીને તેમના માથા પર મૂકાયો. તેમના જમણા હાથમાં લાકડી આપી અને તેમની આગળ ધૂંટણે પડીને તેમની મશ્કરી કરી. તેમણે કહ્યું, યહૂદીઓના રાજા, અમર રહો! તેઓ તેમના પર થૂંક્યા અને લાકડી લઈને તેમના માથામાં ફટકારી. મશ્કરી કરી રહ્યા પછી તેમણે ઝભ્ભો ઉતારી લીધો અને તેમનાં કપડાં પાછાં પહેરાવ્યાં. ત્યાર પછી તેમને ક્રૂસે જડવા માટે લઈ ગયા. તેઓ જઈ રહ્યા હતા ત્યારે કૂરેનીનો સિમોન મળ્યો. તેમણે બળજબરીથી ઈસુનો ક્રૂસ તેની પાસે ઊંચકાવ્યો. તેઓ ગલગથા જેનો અર્થ ’ખોપરીની જગ્યા’ થાય છે ત્યાં આવ્યા. ત્યાં તેમણે તેમને બોળ મિશ્રિત દ્રાક્ષરસ પીવા આપ્યો. પણ ચાખ્યા પછી ઈસુએ તે પીવાની ના પાડી. તેમણે તેમને ક્રૂસે જડયા અને પાસાં નાખીને તેમનાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં. ત્યાર પછી ત્યાં બેસીને તેમની ચોકી કરી. તેમના માથાથી ઉપર ક્રૂસ ઉપર આરોપ દર્શાવતો લેખ મૂકેલો હતો: આ ઈસુ યહૂદીઓનો રાજા છે. ત્યાર પછી ઈસુની સાથે બે લૂંટારાઓને, એકને તેમની જમણી તરફ અને બીજાને તેમની ડાબી તરફ ક્રૂસે જડયા. ત્યાંથી પસાર થતા લોકોએ માથાં હલાવીને ઈસુની મશ્કરી કરતાં કહ્યું, તું તો મંદિરને તોડી પાડીને ફક્ત ત્રણ જ દિવસમાં ફરી બાંધવાનો હતો ને! તો હવે પોતાને જ બચાવને! જો તું ઈશ્વરપુત્ર હોય તો ક્રૂસ પરથી નીચે ઊતરી આવ! તે જ પ્રમાણે મુખ્ય યજ્ઞકારો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને આગેવાનોએ તેમની મશ્કરી કરીને કહ્યું, તેણે બીજા ઘણાને બચાવ્યા પણ પોતાને બચાવી શક્તો નથી. શું તે ઇઝરાયલનો રાજા નથી? જો તે હાલ ક્રૂસ પરથી ઊતરી આવે તો અમે તેના પર વિશ્વાસ કરીશું. તે ઈશ્વર પર ભરોસો રાખે છે અને પોતે ઈશ્વરપુત્ર હોવાનો દાવો કરે છે. તો હવે ઈશ્વર તેને બચાવે છે કે નહિ તે જોઈએ. તેમની સાથે ક્રૂસે જડવામાં આવેલા લૂંટારાઓએ પણ તેમની મશ્કરી કરી. બપોરના સમયે સમગ્ર દેશ પર ત્રણ કલાક સુધી અંધકાર છવાઈ ગયો. લગભગ ત્રણ વાગે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી, એલી, એલી, લામા સાબાખ્થાની અર્થાત્ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ ત્યજી દીધો છે? ત્યાં ઊભા રહેલા કેટલાક લોકોએ એ સાંભળીને કહ્યું, તે એલિયાને બોલાવે છે. તેમનામાંથી એક જણે દોડીને વાદળી લીધી અને તેને હલકી જાતના દારૂમાં બોળીને લાકડીની ટોચે મૂકીને ઈસુને ચૂસવા માટે આપી. પણ બીજાઓએ કહ્યું, રહેવા દો, જોઈએ તો ખરા, એલિયા તેને બચાવવા આવે છે કે નહિ? ઈસુએ ફરીથી મોટે ઘાંટે બૂમ પાડી અને પછી મરણ પામ્યા. ત્યાર પછી મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો. ધરતીકંપ થયો, ખડકો ફાટી ગયા; કબરો ખૂલી ઈ અને ઈશ્વરના ઘણા લોક મરણમાંથી સજીવન થયા. ઈસુ મરણમાંથી સજીવન થયા પછી તે લોકો કબરમાંથી બહાર નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણા લોકોએ તેમને જોયા. ઈસુની ચોકી કરતા સૂબેદાર તથા તેની સાથેના સૈનિકોને ધરતીકંપ તથા બીજા બનાવો જોઈને બીક લાગી. તેમણે કહ્યું, ખરેખર, તે ઈશ્વરપુત્ર હતા. ગાલીલમાંથી ઈસુની પાછળ આવેલી અને તેમને મદદ કરનારી ઘણી સ્ત્રીઓ ત્યાં હતી. તેઓ થોડે દૂરથી બધું જોયા કરતી હતી. તેમાં માગદાલાની મિર્યામ, યાકોબ અને યોસેફની માતા મિર્યામ અને ઝબદીના પુત્રોની માતા હતાં. સાંજ પડી ત્યારે આરીમથાઈથી એક ધનવાન માણસ ત્યાં આવ્યો. તેનું નામ યોસેફ હતું. તે ઈસુનો શિષ્ય હતો. તે પિલાતની પાસે ગયો અને તેણે ઈસુના શબની માગણી કરી. પિલાતે શબ આપવાનો હુકમ કર્યો. તેથી યોસેફે ઈસુનું શબ લઈને અળસીરેસાનાં શ્વેત નવાં વસ્ત્રોમાં વીંટાળ્યું અને તેને લઈ જઈને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં મૂકાયું. પછી કબરના પ્રવેશદ્વાર આગળ એક મોટો પથ્થર બડાવીને તે ચાલ્યો ગયો. માગદાલાની મિર્યામ અને બીજી મિર્યામ કબરની સામે બેઠેલાં હતાં. બીજે દિવસે એટલે શુક્રવાર પછીના દિવસે મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ પિલાતને મળીને કહ્યું, સાહેબ, અમને યાદ છે કે, એ ઠગ જીવતો હતો ત્યારે આમ કહેતો હતો: ’ત્રણ દિવસ પછી મને સજીવન કરવામાં આવશે.’ તેથી એવા હુકમો આપો કે ત્રીજા દિવસ સુધી કબરની બરાબર ચોકી કરવામાં આવે, જેથી તેના શિષ્યો આવીને તેનું શબ ચોરી ન જાય અને લોકોને જાહેર ન કરે કે તે મરણમાંથી સજીવન થયા છે. નહિ તો આ છેલ્લી ઠાઈ પ્રથમના કરતાં પણ વધુ ખરાબ હશે. પિલાતે તેમને કહ્યું, સૈનિકોને ચોકી કરવા લઈ જાઓ અને જઈને તમારાથી બને તેટલો જાપ્તો રાખો. આથી તેમણે જઈને કબરના પથ્થરને સીલબંધ કરીને પહેરો ગોઠવી દીધો. વિશ્રામવારને બીજે દિવસે રવિવારની વહેલી સવારે માગદાલાની મિર્યામ અને બીજી મિર્યામ કબરે ગયાં. એકાએક મોટો ધરતીકંપ થયો. આકાશમાંથી પ્રભુનો દૂત આવ્યો અને પથ્થર ખસેડીને તેના પર બેસી ગયો. તેનો દેખાવ વીજળીના જેવો હતો અને તેનાં કપડાં બરફના જેવાં શ્વેત હતાં. ચોકીદારો ખૂબ જ ગભરાઈ ગયા. તેઓ ધ્રૂજી ઊઠયા અને મૃતપ્રાય થઈ ગયા. દૂતે સ્ત્રીઓને કહ્યું, ડરશો નહિ, હું જાણું છું કે જેમને ક્રૂસે જડવામાં આવેલા તે ઈસુને તમે શોધો છો. તે અહીં નથી. તેમણે કહ્યું હતું તે પ્રમાણે તેમને સજીવન કરવામાં આવ્યા છે. આવો, જ્યાં તે સૂતા હતા તે જા જુઓ. ઝડપથી તેમના શિષ્યો પાસે જાઓ અને કહો કે તેમને મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે અને તે તમારી પહેલાં ગાલીલમાં જાય છે અને ત્યાં તમને મળશે. મેં તમને જે કહ્યું છે તે યાદ રાખો. આથી તેઓ ઉતાવળથી કબરેથી ચાલી નીકળી. તેમને બીક લાગી હતી. પણ સાથે સાથે ઘણો જ આનંદ થયો હતો. એ ખબર શિષ્યોને આપવા તેઓ ઝડપથી દોડી ઈ. એકાએક ઈસુ તેમને મળ્યા અને તેમણે કહ્યું, તમને શાંતિ થાઓ. તેઓ તેમની નજીક આવી અને તેમનાં ચરણોમાં નમી પડીને તેમનું ભજન કર્યું. ઈસુએ તેમને કહ્યું, ડરશો નહિ, જાઓ, જઈને મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીલમાં જાય અને ત્યાં હું તેમને મળીશ. જ્યારે સ્ત્રીઓ પાછી ઈ ત્યારે કબરની ચોકી કરનાર કેટલાક સૈનિકો શહેરમાં ગયા અને જે કંઈ બન્યું હતું તેથી મુખ્ય યજ્ઞકારોને વાકેફ કર્યા. મુખ્ય યજ્ઞકારો તેમ જ આગેવાનો સાથે એકત્ર થયા અને તેમણે મસલત કરી. તેમણે સૈનિકોને ઘણી મોટી લાંચ આપી, અને કહ્યું, લોકોને તમારે આ પ્રમાણે કહેવું, ’અમે રાત્રે ઊંઘતા હતા ત્યારે તેમના શિષ્યો આવ્યા અને તેમનું શબ ઉઠાવી ગયા છે.’ અને જો રાજ્યપાલને આ વાતની જાણ થશે તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું. ચોકીદારોએ પૈસા લઈ લીધા અને તેમને જે પ્રમાણે સમજાવવામાં આવ્યા હતા તે મુજબ તેમણે કર્યું. આજ દિવસ સુધી યહૂદીઓમાં આ જ વાત પ્રચલિત છે. ઈસુના કહ્યા મુજબ અયષિર શિષ્યો ગાલીલમાં એક પર્વત પર ગયા. જ્યારે તેમણે ઈસુને જોયા ત્યારે તેમનું ભજન કર્યું, પણ કેટલાકને શંકા આવી. ઈસુ તેમની નજીક આવ્યા અને તેમણે કહ્યું, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એટલે તમે જાઓ, બધી જાના લોકોને મારા શિષ્યો બનાવો. ઈશ્વરપિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે તેમને બાપ્તિસ્મા આપતા જાઓ; જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું. ઈશ્વરપુત્ર ઈસુ ખ્રિસ્ત વિષેનો આ શુભસંદેશ છે. યશાયાએ લખેલું હતું તે પ્રમાણે તેની શરૂઆત થઈ: “પ્રભુ કહે છે, ‘તારે માટે માર્ગ તૈયાર કરવા હું મારા દૂતને તારી આગળ મોકલીશ.’ વેરાન પ્રદેશમાં કોઈ પોકારે છે: ‘પ્રભુને માટે રાજમાર્ગ તૈયાર કરો; તેમને જવાનો માર્ગ સરખો કરો.” એમ યોહાન વેરાન પ્રદેશમાં પ્રગટ થયો. તે લોકોને બાપ્તિસ્મા આપતો અને ઉપદેશ કરતો. તેણે લોકોને કહ્યું, “તમારાં પાપથી પાછા ફરો અને બાપ્તિસ્મા લો, અને ઈશ્વર તમારાં પાપની ક્ષમા આપશે.” યોહાનને સાંભળવા માટે યહૂદિયાના પ્રદેશમાંથી અને યરુશાલેમ શહેરમાંથી ઘણા લોકો તેની પાસે આવતા. તેઓ પોતાનાં પાપ કબૂલ કરતા અને તે તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપતો. યોહાન ઊંટના વાળમાંથી બનાવેલાં વસ્ત્રો પહેરતો, કમરે ચામડાનો પટ્ટો બાંધતો અને તીડ તથા જંગલી મધ ખાતો. તેણે લોકો આગળ જાહેર કર્યું: “મારા પછીથી આવનાર માણસ મારા કરતાં પણ મહાન છે; હું તો નીચો નમીને વાધરી છોડીને તેમનાં ચંપલ ઉતારવા જેવોય યોગ્ય નથી. હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું; પણ તે તો પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.” થોડા સમય પછી ઈસુ ગાલીલના પ્રદેશમાં આવેલા નાઝારેથથી આવ્યા, અને યોહાને યર્દન નદીમાં તેમનું બાપ્તિસ્મા કર્યું. ઈસુ પાણીમાંથી બહાર આવ્યા કે તરત જ તેમણે આકાશને ઊઘડતું જોયું અને પવિત્ર આત્માને પોતા પર કબૂતરની જેમ ઊતરતો જોયો. આકાશમાંથી વાણી સંભળાઈ: “તું મારો પ્રિય પુત્ર છે; હું તારા પર પ્રસન્‍ન છું.” પછી તરત જ પવિત્ર આત્મા તેમને વેરાન પ્રદેશમાં લઈ ગયો. એ વેરાન પ્રદેશમાં જંગલી પ્રાણીઓ હતાં. ઈસુ ત્યાં ચાળીસ દિવસ સુધી રહ્યા. શેતાનથી તેમનું પ્રલોભન થતું, પણ દૂતો આવીને તેમની સેવા કરતા. યોહાનને કેદમાં પૂરવામાં આવ્યા પછી ઈસુ ગાલીલમાં ગયા અને ઈશ્વરના શુભસંદેશનો ઉપદેશ કર્યો. તેમણે કહ્યું, “સમય પાકી ચૂક્યો છે અને ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે. તમારાં પાપથી પાછા ફરો અને શુભસંદેશ પર વિશ્વાસ કરો.” ગાલીલ સરોવરને કિનારે ચાલતાં ચાલતાં ઈસુએ માછી સિમોન અને તેના ભાઈ આંદ્રિયાને જોયા. તેઓ જાળ વડે સરોવરમાંથી માછલાં પકડતા હતા. ઈસુએ તેમને કહ્યું, “મને અનુસરો, અને હું તમને માણસોને મારા અનુયાયી બનાવતાં શીખવીશ.” તરત જ તેઓ પોતાની જાળો મૂકી દઈને તેમની પાછળ ગયા. તેઓ થોડેક દૂર ગયા, અને ઝબદીના દીકરા યાકોબ અને તેના ભાઈ યોહાનને જોયા. તેઓ પોતાની હોડીમાં પોતાની જાળો સાંધી રહ્યા હતા. ઈસુએ તેમને જોતાંની સાથે જ બોલાવ્યા. તેઓ તેમના પિતા ઝબદીને અન્ય મજૂરો સાથે હોડીમાં જ મૂકી દઈને ઈસુની પાછળ ગયા. તે કાપરનાહુમ નગરમાં આવ્યા, અને પછીના વિશ્રામવારે ઈસુ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા અને શિક્ષણ આપવા લાગ્યા. તેમની શીખવવાની રીતથી તેમને સાંભળનારા લોકો આશ્ર્વર્ય પામ્યા. તે નિયમશાસ્ત્રના શિક્ષકો જેવા ન હતા; એને બદલે, તે તો અધિકારથી શિક્ષણ આપતા હતા. એ જ સમયે અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ ભજનસ્થાનમાં આવી પહોંચ્યો. તેણે બૂમ પાડી, “નાઝારેથના ઈસુ, તમારે અમારું શું ક્મ છે? શું તમે અમારો નાશ કરવા અહીં આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું. તમે ઈશ્વર પાસેથી આવેલ પવિત્ર વ્યક્તિ છો!” ઈસુએ તેને સખત આજ્ઞા કરી, “ચૂપ રહે, અને એ માણસમાંથી બહાર નીકળી જા.” દુષ્ટાત્માએ તે માણસને સખત રીતે મરડી નાખ્યો અને મોટી બૂમ પાડતો તેનામાંથી નીકળી ગયો. લોકો અચંબો પામી ગયા અને એકબીજાને પૂછવા લાગ્યા, “આ શું? અધિકારયુક્ત નવું જ શિક્ષણ! આ માણસ દુષ્ટાત્માઓને હુકમ કરે છે, અને તેઓ તેનું માને છે પણ ખરા!” આમ, ગાલીલના સમગ્ર પ્રદેશમાં ઈસુની ખ્યાતિ ઝડપથી ફેલાઈ ગઈ. તેઓ તરત જ ભજનસ્થાનમાંથી નીકળીને સિમોન તથા આંદ્રિયાને ઘેર ગયા; અને યાકોબ તથા યોહાન પણ તેમની સાથે ગયા. સિમોનની સાસુ તાવથી પથારીવશ હતી. ઈસુ ત્યાં ગયા એટલે તરત જ લોકોએ તેને વિષે ઈસુને વાત કરી. ઈસુ તેની પાસે ગયા અને તેનો હાથ પકડીને તેને બેઠી કરી. તેનો તાવ ઊતરી ગયો, અને તે તેમની સરભરા કરવા લાગી. સાંજ પડતાં લોકો બીમાર અને દુષ્ટાત્મા વળગેલા માણસોને ઈસુની પાસે લાવ્યા. નગરના બધા લોકો ઘરના આંગણામાં એકઠા થયા હતા. જાતજાતના રોગથી પીડાતા ઘણા માણસોને ઈસુએ સાજા કર્યા અને ઘણા દુષ્ટાત્માઓને કાઢયા. તેમણે દુષ્ટાત્માઓને કંઈ બોલવા દીાા નહિ; કારણ, ઈસુ કોણ છે તે દુષ્ટાત્માઓ જાણતા હતા. બીજે દિવસે અજવાળું થયા પહેલાં વહેલી સવારે ઈસુ ઊઠયા અને ઘરમાંથી બહાર ગયા. નગર બહાર એક્ંત સ્થળે જઈને તેમણે પ્રાર્થના કરી. પણ સિમોન તથા તેના સાથીદારોએ તેમની શોધ કરી. તેઓ તેમને મળ્યા એટલે કહ્યું, “બધા તમને શોધે છે.” પણ ઈસુએ જવાબ આપ્યો, “આપણે આસપાસનાં અન્ય ગામોમાં પણ જઈએ. મારે ત્યાંના લોકોને પણ ઉપદેશ આપવાનો છે; કારણ, તે માટે હું આવ્યો છું.” તેથી આખા ગાલીલ પ્રાંતમાં ફરીને તેમનાં ભજનસ્થાનોમાં તેમણે ઉપદેશ કર્યો અને દુષ્ટાત્માઓ કાઢયા. એક રક્તપિતિયો ઈસુની પાસે આવી નમી પડયો, અને તેણે આજીજીપૂર્વક સહાય માગતાં કહ્યું, “તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો તેમ છો.” ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું અને તેની નજીક જઈને તેમણે તેને સ્પર્શ કર્યો. તેમણે કહ્યું, “હા, હું ઇચ્છું છું; તું શુદ્ધ થા!” તત્કાળ તે માણસમાંથી રક્તપિત્ત દૂર થયો અને તે શુદ્ધ થયો. પછી ઈસુએ તેને વિદાય આપતાં સખત શબ્દોમાં કહ્યું, “જો જે, આ અંગે કોઈને કહીશ નહિ, પણ સીધેસીધો યજ્ઞકાર પાસે જા, અને તેને તારી તપાસ કરવા દે. પછી તું શુદ્ધ થયો છે તે બધાની સમક્ષ સાબિત કરવા મોશેએ ઠરાવેલા બલિદાનનું અર્પણ કર.” પછી એ માણસે જઈને એ વાત બધે ફેલાવી. તેણે એટલી બધી જાહેરાત કરી કે ઈસુ કોઈ નગરમાં જાહેર રીતે જઈ શક્યા નહિ; એને બદલે, તેમને બહાર એક્ંત જગ્યાઓમાં જવું પડયું. ચોમેરથી લોકો તેમની પાસે આવતા હતા. થોડા દિવસો પછી ઈસુ કાપરનાહુમ પાછા આવ્યા, અને તે ઘેર છે એવા સમાચાર ફેલાઈ ગયા; તેથી એટલા બધા લોકો એકઠા થયા કે ક્યાંય જગ્યા રહી નહિ, આંગણામાં પણ નહિ. ઈસુ તેમને શુભસંદેશ સંભળાવતા હતા, ત્યારે કેટલાક લોકો લકવાથી પીડાતા એક માણસને ચાર માણસો પાસે ઊંચકાવીને ઈસુની પાસે લાવ્યા. પણ લોકોની ભીડને કારણે તેઓ તેને ઈસુની પાસે લઈ જઈ શક્યા નહિ. તેથી ઈસુ જ્યાં હતા, બરાબર તે જ ઠેકાણે તેમણે છાપરું ઉકેલી નાખ્યું. છાપરું ખુલ્લું થયા પછી તેમણે તેને તેની પથારી સાથે જ ઉતાર્યો. ઈસુએ તેમનો વિશ્વાસ જોઈને લકવાવાળા માણસને કહ્યું, “મારા દીકરા, તારાં પાપ માફ કરવામાં આવે છે.” ત્યાં બેઠેલા નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકોએ પોતાના મનમાં વિચાર્યું, “આ માણસ આવું કેમ બોલે છે? તે તો ઈશ્વરની નિંદા કરે છે! એકલા ઈશ્વર સિવાય બીજું કોઈ પાપની ક્ષમા આપી શકે જ નહિ.” ઈસુ તરત જ તેમના મનમાં ચાલતા વિચારો જાણી ગયા, અને તેથી તેમને કહ્યું, “તમે એવા વિચાર કેમ કરો છો? ‘તારાં પાપ માફ કરવામાં આવે છે,’ અથવા ‘ઊઠ, તારી પથારી ઊંચકીને ચાલ,’ એ બેમાંથી આ લકવાવાળા માણસને શું કહેવું સહેલું છે? પણ હું તમારી આગળ સાબિત કરી આપીશ કે માનવપુત્રને પૃથ્વી પર પાપની ક્ષમા આપવાનો અધિકાર છે.” તેથી તેમણે લકવાવાળા માણસને કહ્યું, “હું તને કહું છું કે, ઊઠ, તારી પથારી ઊંચકીને તારે ઘેર જા.” તે સૌનાં દેખતાં જ એ માણસ ઊઠયો, અને પથારી ઉઠાવી ઉતાવળે જતો રહ્યો. તે સૌ અત્યંત સ્તબ્ધ થઈ ગયા, અને “અમે આવું કદીયે જોયું નથી,” એમ કહેતાં ઈશ્વરની પ્રશંસા કરવા લાગ્યા. ઈસુ ફરીવાર ગાલીલ સરોવરને કિનારે આવ્યા. લોકોનો સમુદાય તેમની પાસે આવ્યો અને તે તેમને શિક્ષણ આપવા લાગ્યા. પછી જતાં જતાં તેમણે અલ્ફીના દીકરા લેવીને જક્તનાકા પર બેઠેલો જોયો. તે નાકાદાર હતો. ઈસુએ તેને કહ્યું, “મને અનુસર.” લેવી ઊઠીને તેમની પાછળ ગયો. થોડા સમય પછી ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા હતા. ઘણા બધા નાકાદારો અને સમાજમાં બહિષ્કૃત થયેલાઓ ઈસુ પાછળ ગયા હતા, અને તેમાંના ઘણા તો તેમની અને તેમના શિષ્યોની સાથે જમવા પણ બેઠા હતા. નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો જેઓ ફરોશી હતા, તેમણે જોયું કે ઈસુ એ બહિષ્કૃત માણસો અને નાકાદારો સાથે જમે છે; તેથી તેમણે તેમના શિષ્યોને પૂછયું, “તે આવા લોકો સાથે કેમ જમે છે?” ઈસુએ એ સાંભળીને જવાબ આપ્યો, “જેઓ તંદુરસ્ત છે તેમને વૈદની જરૂર નથી; પણ ફક્ત જેઓ બીમાર છે તેમને જ છે. હું નેકીવાન ગણાતા લોકોને નહિ, પણ સમાજમાંથી બહિષ્કૃત થયેલાઓને આમંત્રણ આપવા આવ્યો છું.” એકવાર બાપ્તિસ્મા કરનાર યોહાનના શિષ્યો અને ફરોશીઓ ઉપવાસ કરતા હતા, ત્યારે કેટલાક લોકોએ ઈસુની પાસે આવીને પૂછયું, “બાપ્તિસ્મા કરનાર યોહાનના અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી તેનું શું કારણ? ઈસુએ જવાબ આપ્યો, “લગ્નજમણમાં આવેલા મહેમાનો ઉપવાસ કરે ખરા? ના, કદી જ નહી. જ્યાં સુધી તેમની સાથે વરરાજા છે, ત્યાં સુધી તેઓ ઉપવાસ નહિ કરે. પણ એવો સમય આવશે કે જ્યારે તેમની પાસેથી વરરાજા લઈ લેવામાં આવશે; અને તે સમયે તેઓ ઉપવાસ કરશે. જૂના વસ્ત્રને કોઈ તદ્દન નવા કપડાનું થીંગડું મારતું નથી. જો એમ કરે, તો નવું થીંગડું સંકોચાતાં જૂના વસ્ત્રને સાંધવાને બદલે ફાડી નાખશે, અને એમ વસ્ત્ર વધારે ફાટશે. તેવી જ રીતે વપરાયેલી ચામડાની મશકોમાં કોઈ નવો દારૂ ભરતું નથી. જો એમ કરે, તો દારૂ મશકોને ફાડી નાખે, અને એમ દારૂ અને મશકો બન્‍નેનો નાશ થાય. ના, ના, નવા દારૂ માટે તો નવી જ મશકો જોઈએ!” વિશ્રામવારને દિવસે ઈસુ અનાજનાં ખેતરોમાંથી પસાર થતા હતા. તેમના શિષ્યો તેમની સાથે ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા. તેથી ફરોશીઓએ ઈસુને કહ્યું, “જુઓ, તમારા શિષ્યો વિશ્રામવારે આ જે ક્મ કરે છે તે આપણા નિયમશાસ્ત્રની વિરુદ્ધ છે!” ઈસુએ જવાબ આપ્યો, “દાવિદ ભૂખ્યો હતો, ત્યારે તેણે શું કર્યું હતું તે શું તમે વાંચ્યું નથી? તે અને તેના સાથીદારો ભૂખ્યા હતા; તેથી તેણે ઈશ્વરના ઘરમાં જઈને અર્પણ કરેલી રોટલી ખાધી. અબ્યાથાર મુખ્ય યજ્ઞકારના સમયમાં એ બન્યું. આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે તો માત્ર યજ્ઞકારો જ આ રોટલી ખાઈ શકે; છતાં દાવિદે તે ખાધી, અને પોતાની સાથેના માણસોને પણ આપી.” ઈસુએ સાર આપતાં કહ્યું, “વિશ્રામવાર માણસના ભલા માટે ઠરાવવામાં આવ્યો હતો, નહિ કે માણસને વિશ્રામવાર માટે બનાવવામાં આવ્યો. માનવપુત્ર વિશ્રામવાર પર પણ પ્રભુત્વ ધરાવે છે.” ઈસુ ફરીથી એકવાર ભજનસ્થાનમાં ગયા. ત્યાં સુકાઈ ગયેલા હાથવાળો એક માણસ હતો. કેટલાક માણસો ઈસુ કંઈક ખોટું કરે તો તેમને દોષિત ઠરાવવાનું કારણ શોધતા હતા; તેથી ઈસુ તેને વિશ્રામવારે સાજો કરશે કે કેમ તે જોવા તેઓ ચાંપતી નજર રાખી રહ્યા હતા. ઈસુએ સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું. “અહીં આગળ આવ.” પછી તેમણે લોકોને પૂછયું, “આપણું નિયમશાસ્ત્ર આપણને વિશ્રામવારે શું કરવાનું કહે છે? સહાય કરવાનું કે નુક્સાન કરવાનું? માણસને બચાવવાનું કે તેને મારી નાખવાનું?” તેઓ એક શબ્દ પણ બોલ્યા નહિ. ઈસુએ તેમના તરફ ગુસ્સાભરી નજર ફેરવી; અને તેઓ હઠીલા અને કઠોર હોવાથી તેમને દુ:ખ થયું. પછી પેલા માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેણે પોતાનો હાથ લાંબો કર્યો એટલે તે પહેલાંના જેવો સાજો થઈ ગયો. તેથી ફરોશીઓ ભજનસ્થાનમાંથી ચાલ્યા ગયા, અને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડવા માટે તેઓ હેરોદના પક્ષના કેટલાક સભ્યોને તરત જ મળ્યા. ઈસુ અને તેમના શિષ્યો સરોવરે જતા રહ્યા, અને લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો. એ લોકો ગાલીલમાંથી, યહૂદિયામાંથી યરુશાલેમમાંથી, અદોમના પ્રદેશમાંથી, યર્દન નદીની પેલે પારના પ્રદેશમાંથી અને તૂર તથા સિદોનની આસપાસના ભાગમાંથી આવ્યા હતા. ઈસુ જે કાર્યો કરી રહ્યા હતા તે સાંભળીને આ મોટો સમુદાય તેમની પાસે આવ્યો હતો. સમુદાય એટલો મોટો હતો કે પોતે ભીડમાં કચડાઈ ન જાય તે માટે ઈસુએ પોતાના શિષ્યોને હોડી તૈયાર કરવા કહ્યું. કારણ, તેમણે ઘણા લોકોને સાજા કર્યા હતા, અને બધા બીમાર માણસો તેમની પાસે જઈને તેમને સ્પર્શ કરવા પડાપડી કરતા હતા, અને અશુદ્ધ આત્મા વળગેલા માણસો ઈસુને જોઈને તેમને પગે પડીને પોકારી ઊઠતા, “તમે તો ઈશ્વરપુત્ર છો!” પોતે કોણ છે એ જાહેર ન કરવા ઈસુએ દુષ્ટાત્માઓને સખત તાકીદ કરી. પછી ઈસુ પર્વત પર ગયા અને પોતાની પાસે પોતાની પસંદગીના માણસોને બોલાવ્યા. તેઓ તેમની પાસે ગયા, અને તેમણે બારની નિમણૂક કરી; જેમને તેમણે પ્રેષિતો કહ્યા. તેમણે તેમને કહ્યું, “મારી સાથે રહેવા મેં તમારી નિમણૂક કરી છે; હું તમને પ્રચાર કરવા મોકલીશ. દુષ્ટાત્માઓને હાંકી કાઢવાનો અધિકાર પણ હું તમને આપીશ.” તેમણે નીમેલા બાર પ્રેષિતો આ પ્રમાણે છે: સિમોન (ઈસુએ તેનું ઉપનામ પિતર રાખ્યું); ઝબદીના દીકરા યાકોબ અને તેનો ભાઈ યોહાન (ઈસુએ તેમને બોઆનેર્ગેસ, અર્થાત્ “ગર્જનાના પુત્રો” એવું ઉપનામ આપ્યું); આંદ્રિયા, ફિલિપ, બારથોલમી, માથ્થી, થોમા, આલ્ફીનો દીકરો યાકોબ, થાદી, સિમોન ધર્માવેશી તથા ઈસુની ધરપકડ કરાવનાર યહૂદા ઈશ્કારિયોત. પછી ઈસુ ઘેર આવ્યા. ફરીથી લોકોનો એવો મોટો સમુદાય એકઠો થયો કે ઈસુ તથા તેમના શિષ્યોને ખાવાનો પણ સમય ન મળ્યો. જ્યારે તેમનાં કુટુંબીજનોએ આ બધું સાંભળ્યું ત્યારે તેઓ ઈસુને પકડી લાવવા નીકળી પડયા; કારણ, લોકો કહેતા હતા, “તે પાગલ થઈ ગયો છે!” યરુશાલેમથી આવેલા કેટલાક નિયમશાસ્ત્રના શિક્ષકો કહેતા હતા, “તેનામાં બાલઝબૂલ છે,” અને “દુષ્ટાત્માઓના સરદારની મદદ દ્વારા જ તે દુષ્ટાત્માઓ કાઢે છે.” તેથી ઈસુએ તેમને પોતાની પાસે બોલાવી કેટલાંક ઉદાહરણ આપતાં કહ્યું: “શેતાન પોતાને જ કેવી રીતે હાંકી કાઢે? જો કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે રાષ્ટ્રનું પતન થશે. જો કોઈ કુટુંબ અરસપરસ લડતાં જૂથોમાં વહેંચાઈ જાય, તો તે કુટુંબ નાશ પામશે. તેવી જ રીતે શેતાનના રાજ્યમાં ભાગલા પડી જાય, તો તે ટકી શકે નહિ, પણ તેનું પતન થાય અને તેનો અંત આવે. “બળવાન માણસને પ્રથમ બાંયા વિના તેના ઘરમાં જઈને કોઈ તેની માલમિલક્ત લૂંટી શકતું નથી. તેને બાંયા પછી જ તેનું ઘર લૂંટી શકાય છે. હું તમને સાચે જ કહું છું: માણસોને તેમનાં બધાં પાપની અને ઈશ્વરનિંદાની ક્ષમા મળી શકે છે, પણ પવિત્ર આત્મા વિરુદ્ધ જે કોઈ ભૂંડી વાત બોલશે તેને કદી માફ કરવામાં આવશે નહિ; કારણ, પોતાને માથે સાર્વકાલિક દોષ રહે એવું પાપ તેણે કર્યું છે.” કારણ, કેટલાકે “તેને દુષ્ટાત્મા વળગ્યો છે” એવું કહ્યું હતું. સાચાં સગાં કોણ? પછી ઈસુનાં મા અને તેમના ભાઈઓ આવ્યાં. તેઓએ ઘરની બહાર ઊભા રહીને તેમને બોલાવવા સંદેશો મોકલ્યો. ઈસુની આજુબાજુ લોકો બેઠેલા હતા. લોકોએ તેમને કહ્યું, “જુઓ, તમારાં મા અને તમારા ભાઈઓ બહાર તમારી રાહ જુએ છે.” ઈસુએ જવાબ આપ્યો, “મારાં મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?” તેમણે પોતાની આજુબાજુ ગોળાકારે બેઠેલા લોકો ઉપર નજર ફેરવતાં કહ્યું, “જુઓ, આ રહ્યાં મારાં મા અને મારા ભાઈઓ! જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્તે છે તે જ મારો ભાઈ કે મારી બહેન કે મારાં મા છે.” ઈસુ ફરીથી ગાલીલ સરોવરને કિનારે ઉપદેશ આપવા લાગ્યા. તેમની આસપાસ એકઠું મળેલું ટોળું ઘણું મોટું હોવાથી તે હોડીમાં જઈને બેઠા. હોડી પાણીમાં હતી; જ્યારે લોકો પાણી નજીક કિનારા પર હતા. તેમણે તેમને ઘણીબધી વાતો ઉદાહરણોનો ઉપયોગ કરીને શીખવી. શિક્ષણ આપતાં તેમણે તેમને કહ્યું, “સાંભળો, એક માણસ બી વાવવા ગયો. ખેતરમાં બી વેરતાં કેટલાંક બી રસ્તાની કોરે પડયાં, અને પક્ષીઓ આવીને તેમને ખાઈ ગયાં. કેટલાંક બી ખડકાળ જમીન પર પડયાં; ત્યાં માટી થોડી હતી. બી તરત જ ઊગી નીકળ્યાં; કારણ કે ત્યાં માટીનું ઊંડાણ ન હતું. પછી સૂર્ય તપતાં કુમળા છોડ બળી ગયા, અને મૂળ ઊંડા ગયાં ન હોવાથી તે છોડ જલદીથી સુકાઈ ગયા. કેટલાંક બી કાંટાઝાંખરાંમાં પડયાં. કાંટાઝાંખરાંએ વધીને છોડને દાબી દીધા અને તેથી કંઈ પાકાયું નહિ. પરંતુ કેટલાંક બી જે સારી જમીનમાં પડયાં તે ઊગી નીકળ્યાં, વયાં અને પાક બેઠો. કેટલાક છોડને ત્રીસગણા, કેટલાકને સાઠગણા અને કેટલાકને સોગણા દાણા પાક્યા.” ઈસુએ સાર આપતાં કહ્યું, “જો તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો.” ઈસુ એકલા હતા ત્યારે તેમના શ્રોતાઓમાંના કેટલાક લોકો બાર શિષ્યોની સાથે તેમની પાસે આવ્યા અને તે ઉદાહરણનો ખુલાસો કરવા કહ્યું. ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વરના રાજનાં માર્મિક સત્યો સમજવાની શક્તિ તમને અપાયેલી છે; પણ બીજા જેઓ બહાર છે તેમને બધી બાબતો ઉદાહરણો દ્વારા સંભળાવવામાં આવે છે; જેથી “તેઓ જોયા જ કરે, છતાં સૂઝે જ નહિ, તેઓ સાંભળ્યા જ કરે, છતાં સમજી શકે નહિ, કદાચ તેઓ ઈશ્વર તરફ પાછા ફરે, અને તેમનાં પાપોની ક્ષમા પામે.” પછી ઈસુએ તેમને કહ્યું, “તમે આ ઉદાહરણ સમજી ન શકો, તો પછી તમે બીજાં ઉદાહરણો કેવી રીતે સમજી શકશો? વાવનાર એટલે ઈશ્વરનો સંદેશો લાવનાર. સંદેશો કેટલીકવાર રસ્તાની કોરે પડેલાં બી જેવો છે; લોકો સાંભળે છે, પણ સાંભળતાની સાથે જ શેતાન આવીને તેમનામાં વાવેલો સંદેશો લઈ જાય છે. કેટલાક લોકો ખડકાળ જમીન જેવા છે, જેમના પર બી પડે છે. સંદેશો સાંભળતાની સાથે જ તેઓ તેને આનંદથી સ્વીકારી લે છે. પણ તે સંદેશો તેમનામાં ઊંડો ઊતરતો નથી, અને તેઓ લાંબો સમય ટકી શક્તા નથી. ઈશ્વરના સંદેશાને લીધે મુશ્કેલી કે સતાવણી આવે છે, ત્યારે તેઓ તરત જ પીછેહઠ કરે છે. બીજા કેટલાક લોકો કાંટાઝાંખરાવાળી જમીન જેવા છે, જેમના પર બી વવાય છે. તે લોકો સંદેશો સાંભળે છે; પણ દુન્યવી ચિંતાઓ, ધનની માયા અને બીજી અનેકવિધ લાલસાઓ તેમનામાં પ્રવેશીને સંદેશાને કચડી નાખે છે, અને તે નિષ્ફળ જાય છે. પણ બીજા કેટલાક લોકો સારી જમીન જેવા છે, જેમાં બી વવાય છે. તેઓ સંદેશો સાંભળે છે, સ્વીકારે છે અને કેટલાક ત્રીસગણો, કેટલાક સાઠગણો અને કેટલાક સોગણો પાક ઉપજાવે છે.” વળી, ઈસુએ કહ્યું, “શું કોઈ દીવો લાવીને તેને વાસણ તળે કે પથારી નીચે મૂકે એવું બને? તે તેને દીવી પર નહિ મૂકે? જે સંતાડેલું છે તેને બહાર લાવવામાં આવશે, અને જે ઢંક્યેલું છે તેને ખુલ્લું કરવામાં આવશે. તેથી જો તમારે સાંભળવાને કાન હોય, તો સાંભળો!” વળી, તેમણે તેમને કહ્યું, “તમે જે સાંભળો છો તે વિષે સાવધ રહો. તમે બીજાઓનો ન્યાય જે ધારાધોરણ પ્રમાણે કરો છો, તે જ ધારાધોરણ પ્રમાણે અને વધુ કડકાઈથી ઈશ્વર તમારો ન્યાય કરશે. જે માણસ પાસે કંઈક છે તેને વધારે આપવામાં આવશે. જે માણસ પાસે કંઈ નથી, તેની પાસેથી તેનું જે થોડુંક છે તે પણ લઈ લેવામાં આવશે.” વળી, ઈસુએ કહ્યું, “ઈશ્વરનું રાજ માણસ ખેતરમાં બી વેરતો હોય તેના જેવું છે. તે રાત્રે ઊંઘે ને સવારે ઊઠે; એ દરમિયાન બી ઊગી નીકળે છે અને પછી વધે છે; છતાં એ કેવી રીતે થાય છે તે તે સમજી શક્તો નથી. ભૂમિમાંથી છોડ પોતાની મેળે જ ઊગી નીકળે છે, અને તેને ફળ આવે છે: પ્રથમ અંકુર, પછી કણસલું અને છેલ્લે દાણા ભરેલું કણસલું. અનાજ પાક્તાં તે માણસ દાતરડું લઈને લણવા લાગી જાય છે; કારણ, કાપણીનો સમય થયો છે.” ઈસુએ પૂછયું, “ઈશ્વરના રાજને આપણે શાની સાથે સરખાવીશું? એ સમજાવવા આપણે કયું ઉદાહરણ વાપરીશું? એની સરખામણી આ રીતે કરી શકાય: રાઈનું બી દુનિયામાં સૌથી નાનું બી છે. માણસ એને લઈને જમીનમાં વાવે છે; થોડા સમયમાં તો તે ઊગી નીકળે છે, અને છોડવાઓમાં સૌથી મોટો છોડ બની જાય છે. એની ડાળીઓ એટલી લાંબી થાય છે કે આકાશનાં પક્ષીઓ આવીને તેની છાયામાં પોતાના માળા બાંધે છે.” ઈસુએ આવાં બીજાં ઘણાં ઉદાહરણોનો ઉપયોગ કરીને લોકોને ઉપદેશ આપ્યો. તેઓ સમજી શકે તેટલું તેમણે તેમને શીખવ્યું. તેમની સાથે તે ઉદાહરણો વિના બોલ્યા નહિ. પણ પોતાના શિષ્યોની સાથે એકલા હોય, ત્યારે તે તેમને બધું સમજાવતા. એ જ દિવસે સાંજે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે સરોવરને સામે કિનારે જઈએ.” તેથી તેઓ જનસમુદાયને મૂકીને ગયા. ઈસુ જે હોડીમાં હતા તેમાં જ તેઓ તેમને લઈને ઉપડયા. તેમની સાથે બીજી હોડીઓ પણ હતી. પવનનું ભારે તોફાન થયું. મોજાં ઊછળીને હોડી સાથે અથડાવા લાગ્યાં અને તેથી હોડી પાણીથી ભરાઈ જવા લાગી. ઈસુ હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકવી ઊંઘતા હતા. શિષ્યોએ તેમને જગાડીને કહ્યું, “ગુરુજી, અમે તો મરવા પડયા છીએ તેની કંઈ ચિંતા તમને નથી?” ઈસુએ ઊઠીને પવનને ધમકાવ્યો અને સરોવરને કહ્યું, “શાંત રહે, બંધ થા.” પવન બંધ થઈ ગયો, અને ગાઢ શાંતિ સ્થપાઈ. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “તમે કેમ ભયભીત થયા? તમને હજુયે વિશ્વાસ નથી?” પણ તેઓ ભયથી ચોંકી ઊઠયા અને એકબીજાને કહેવા લાગ્યા, “આ કેવા પ્રકારની વ્યક્તિ છે! પવન અને સરોવરનાં મોજાં પણ તેમને આધીન થાય છે!” તેઓ ગાલીલ સરોવરને સામે કિનારે ગેરાસીનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા. ઈસુ હોડીમાંથી ઊતર્યા કે તરત જ કબર તરીકે વપરાતી ગુફાઓમાંથી નીકળતો એક માણસ તેમને સામો મળ્યો. એ માણસને અશુદ્ધ આત્મા વળગેલો હતો, અને તે કબરોમાં વસતો હતો. કોઈ તેને સાંકળોથી પણ બાંધી શકતું ન હતું. તેને ઘણીવાર હાથે સાંકળો અને પગે બેડીઓથી બાંધવામાં આવ્યો હતો. પણ તે સાંકળોની કડીએ કડી તોડી નાખતો અને બેડીઓના ભૂક્કા બોલાવતો. તેને વશ કરવાની કોઈની તાક્ત ન હતી. તે કબરોમાં અને ડુંગરાઓમાં બૂમબરાડા પાડતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો રાતદિવસ ભટક્યા કરતો. ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડયો. તેણે મોટે સાદે બૂમ પાડી, “હે ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના પુત્ર, તમારે અને મારે શું લાગેવળગે છે? ઈશ્વરના સોગંદ દઈને હું તમને વિનવું છું કે મને પીડા દેશો નહિ.” તેણે આમ કહ્યું, કારણ, ઈસુએ તેને કહ્યું હતું, “હે અશુદ્ધ આત્મા, આ માણસમાંથી બહાર નીકળ!” ઈસુએ તેને પૂછયું, “તારું નામ શું છે?” માણસે જવાબ આપ્યો, “મારું નામ સેના છે; કારણ, અમે ઘણા છીએ!” તેણે તેમને એ પ્રદેશમાંથી કાઢી નહિ મૂકવા ઈસુને આજીજી કર્યા કરી. નજીકમાં ટેકરીઓ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું. તેમણે ઈસુને આજીજી કરી, “અમને ભૂંડો પાસે મોકલો, અને તેમનામાં પ્રવેશવા દો.” તેથી ઈસુએ તેમને જવાની રજા આપી. અશુદ્ધ આત્માઓ પેલા માણસમાંથી નીકળીને ભૂંડોમાં પ્રવેશ્યા. લગભગ બે હજાર ભૂંડોનું આખું ટોળું સીધા ઢોળાવ પરથી ઢસડાઈને સરોવરમાં ડૂબી ગયું. ભૂંડો સાચવનારાઓ નાસી ગયા અને શહેરમાં તથા ખેતરોમાં એના સમાચાર ફેલાવ્યા. જે બન્યું હતું તે જોવા બધા લોકો નીકળી આવ્યા. તેઓ ઈસુની પાસે આવ્યા અને જેનામાં અશુદ્ધ આત્માઓ રહેતા હતા તે માણસને જોયો. તે ત્યાં કપડાં પહેરેલો અને સ્વસ્થચિત્તે બેઠેલો હતો; અને તેઓ બધા ભયથી ચોંકી ઊઠયા. બનાવ જોનારાઓએ અશુદ્ધ આત્મા વળગેલા માણસનું અને ભૂંડોનું શું થયું હતું તે લોકોને જણાવ્યું. તેથી તેમણે ઈસુને તેમનો પ્રદેશ છોડીને જતા રહેવા આજીજી કરી. ઈસુ હોડીમાં ચઢતા હતા ત્યારે જેને અગાઉ અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તે માણસે આજીજી કરી, “મને તમારી સાથે આવવા દો.” પણ ઈસુએ તેને મના કરી, અને એને બદલે તેને કહ્યું, “તારે ઘેર જા અને પ્રભુએ તારે માટે કેટલું બધું કર્યું છે, અને તારા પર દયા દર્શાવી છે તે તારા કુટુંબીજનોને જણાવ.” તેથી તે માણસ ગયો અને ઈસુએ તેને માટે જે કર્યું હતું તે દસનગરના પ્રદેશમાં કહેતો ફર્યો; અને જેમણે સાંભળ્યું તેઓ નવાઈ પામ્યા. ઈસુ સરોવરને બીજે કિનારે પાછા ગયા. ત્યાં એક મોટો જનસમુદાય તેમને ઘેરી વળ્યો. તે સરોવર પાસે જ હતા એટલામાં યાઇરસ નામે યહૂદી ભજનસ્થાનનો એક અધિકારી આવ્યો. ઈસુને જોઈને તે તેમને પગે પડયો, અને તેણે તેમને ખૂબ જ આગ્રહપૂર્વક આજીજી કરી, “મારી નાની દીકરી મરવાની અણી પર છે. કૃપા કરીને આવો અને તેના માથા પર તમારો હાથ મૂકો, જેથી તે સાજી થાય, અને જીવતી રહે.” પછી ઈસુ તેની સાથે ચાલી નીકળ્યા. તેમની સાથે એટલા બધા લોકો ગયા કે ચારેબાજુથી તેમના પર પડાપડી થવા લાગી. એક સ્ત્રી હતી. તેને બાર વર્ષથી રક્તસ્રાવનો રોગ થયો હતો, અને તે તેનાથી ભયંકર રીતે પીડાતી હતી. જોકે ઘણા વૈદોએ તેની સારવાર કરી હતી અને તેણે પોતાના બધા પૈસા ખર્ચી નાખ્યા હતા; પણ સારું થવાને બદલે તેની હાલત વધારે અને વધારે બગડતી જતી હતી. તેણે ઈસુ વિષે સાંભળ્યું હોવાથી ટોળામાં ઈસુની પછવાડેથી તે આવી, અને તેણે તેમના ઝભ્ભાને સ્પર્શ કર્યો; કારણ, તેણે પોતાના મનમાં વિચાર્યું હતું કે, “જો હું માત્ર તેમના ઝભ્ભાને સ્પર્શ કરું તો હું સાજી થઈ શકીશ.” તેણે તેમના ઝભ્ભાને સ્પર્શ કર્યો અને તરત જ તેનો રક્તસ્રાવ અટકી ગયો. તેને પોતાને પણ લાગ્યું કે તેના શરીરમાંનું દર્દ મટી ગયું છે. ઈસુને તરત જ ખબર પડી કે તેમનામાંથી પરાક્રમ નીકળ્યું છે. એટલે તેમણે ટોળા તરફ ફરીને પૂછયું, “મારા ઝભ્ભાને કોણે સ્પર્શ કર્યો?” તેમના શિષ્યોએ જવાબ આપ્યો, “લોકો તમારા પર કેવી પડાપડી કરે છે તે તો તમે જુઓ છો, અને છતાંયે તમે પૂછો છો કે તમને કોણે સ્પર્શ કર્યો?” પણ કોણે સ્પર્શ કર્યો હતો તેને જોવા ઈસુએ આસપાસ નજર ફેરવી. પોતાને જે થયું હતું તે બધું તે સ્ત્રી જાણતી હતી. તેથી તે બીકથી ધ્રૂજતી ધ્રૂજતી આવીને તેમને પગે પડી, અને તેણે તેમને બધી હકીક્ત કહી. ઈસુએ તેને કહ્યું, “મારી દીકરી, તારા વિશ્વાસને લીધે તું સાજી થઈ છે. શાંતિથી જા; તારું દર્દ તારાથી દૂર રહો.” ઈસુ હજુ બોલતા હતા એવામાં જ ભજનસ્થાનના અધિકારીને ઘેરથી કેટલાક માણસોએ આવીને કહ્યું, “તમારી દીકરી મરણ પામી છે. હવે ગુરુજીને વધારે તકલીફ શા માટે આપો છો?” ઈસુએ તેમની વાત પર કંઈ ધ્યાન આપ્યું નહિ, પણ ભજનસ્થાનના અધિકારીને કહ્યું, “ગભરાઈશ નહિ, ફક્ત વિશ્વાસ રાખ.” પછી તેમણે પિતર, યાકોબ અને તેના ભાઈ યોહાન સિવાય બીજા કોઈને પોતાની સાથે આવવા દીધા નહિ. તેઓ એ અધિકારીને ઘેર આવી પહોંચ્યા. ત્યાં ઈસુએ ઘોંઘાટ, રડારોળ તથા કલાપીટ સાંભળ્યાં. તેમણે અંદર જઈને પૂછ્યું, “આ શાનો ઘોંઘાટ છે? તમે શા માટે રડો છો? છોકરી મરણ પામી નથી; તે તો ઊંઘે છે.” પણ બધાએ ઈસુને હસી કાઢયા. તેથી તેમણે બધાને બહાર કાઢી મૂક્યા અને છોકરીનાં માતાપિતા અને પોતાના ત્રણ શિષ્યોને લઈને છોકરી જ્યાં સૂતી હતી તે ઓરડીમાં ગયા. ઈસુએ તેનો હાથ પકડીને તેને કહ્યું, “તલીથા કૂમ,” જેનો અર્થ થાય છે, “છોકરી, હું તને કહું છું: ઊઠ!” તે તરત જ ઊઠીને ચાલવા લાગી, કારણ, તે બાર વર્ષની હતી. એ જોઈને તેઓ ખૂબ જ આશ્ર્વર્ય પામ્યા. પણ કોઈને કંઈપણ નહિ કહેવાની તાકીદ કરતાં ઈસુએ તેમને કહ્યું, “તેને કંઈક ખાવાનું આપો.” પછી ત્યાંથી ઈસુ પોતાના શિષ્યોની સાથે પોતાના વતનમાં પાછા ફર્યા. પછીના વિશ્રામવારે તે ભજનસ્થાનમાં શિક્ષણ આપવા લાગ્યા. ત્યાં ઘણા લોકો હતા, અને તેઓ તેમનું સાંભળીને આશ્ર્વર્યચકિત થઈ કહેવા લાગ્યા, “એણે આ બધું ક્યાંથી મેળવ્યું? એને કેવું જ્ઞાન અપાયું છે! તે કેવા મહાન ચમત્કારો કરે છે! શું એ તો સુથાર, મિર્યામનો પુત્ર તથા યાકોબ, યોસે, યહૂદા અને સિમોનનો ભાઈ નથી? શું તેની બહેનો અહીં રહેતી નથી?” એમ તેમણે તેમનો ઇનકાર કર્યો. ઈસુએ તેમને કહ્યું, “પોતાનું વતન, સગાંવહાલાં અને કુટુંબ સિવાય સંદેશવાહકને બીજી બધી જગ્યાએ માન મળે છે.” થોડાંએક બીમારોને તેમના માથા પર હાથ મૂકીને સાજાં કર્યાં એ સિવાય બીજા કોઈ ચમત્કાર તેઓ ત્યાં કરી શક્યા નહિ. લોકોમાં વિશ્વાસનો અભાવ જોઈને તેમને ઘણું જ આશ્ર્વર્ય થયું. પછી ઈસુ આજુબાજુનાં ગામોમાં લોકોને ઉપદેશ આપતા ફર્યા. તેમણે બાર શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા અને તેમને બબ્બેની જોડીમાં મોકલ્યા. તેમણે તેમને અશુદ્ધ આત્માઓ ઉપર અધિકાર આપ્યો, અને તેમને ફરમાવ્યું, “લાકડી સિવાય તમારી મુસાફરીમાં સાથે બીજું કંઈ લેતા નહિ; ખોરાક નહિ, થેલી નહિ કે ખિસ્સામાં પૈસા પણ નહિ. ચંપલ પહેરજો, પણ વધારાનો ઝભ્ભો પહેરતા નહિ.” તેમણે તેમને આમ પણ કહ્યું, “જે ઘરમાં તમારો સત્કાર કરવામાં આવે તે જ ઘરમાં તે શહેર મૂકીને બીજે જાઓ ત્યાં સુધી રહેજો. કોઈ જગ્યાએ લોકો તમને આવકાર ન આપે, અથવા તમારું ન સાંભળે, તો ત્યાંથી જતા રહેજો અને તમારા પગની ધૂળ ખંખેરી નાખજો. એ તેમની વિરુદ્ધ સાક્ષી બની રહેશે.” તેથી બાર શિષ્યોએ જઈને લોકોને પોતાનાં પાપથી પાછા ફરવાનો ઉપદેશ આપ્યો. તેમણે ઘણા દુષ્ટાત્માઓ કાઢયા, અને ઘણા બીમાર લોકોને તેમના માથા પર તેલ ચોળીને સાજા કર્યા. હવે હેરોદ રાજાએ આ બધી વાત સાંભળી; કારણ, ઈસુની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ હતી. કેટલાક લોકો કહેતા હતા, “બાપ્તિસ્મા કરનાર યોહાન મરેલાંઓમાંથી સજીવન થયો છે. તેથી જ તેનામાં આ બધું સામર્થ્ય કાર્ય કરી રહેલું છે.” પણ બીજાઓએ કહ્યું, “તે એલિયા છે.” વળી, બીજા કેટલાકે કહ્યું, “ઈશ્વરના પ્રાચીન સંદેશવાહકો જેવો તે સંદેશવાહક છે.” હેરોદે જ્યારે આ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “એ તો બાપ્તિસ્મા કરનાર યોહાન જ છે! મેં તેનું માથું કપાવી નાખ્યું હતું, પણ હવે તે પાછો સજીવન થયો છે!” હેરોદે પોતે જ યોહાનની ધરપકડ કરાવી હતી અને તેને જેલમાં નંખાવ્યો હતો. કારણ, હેરોદે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કર્યું હોવાથી બાપ્તિસ્મા કરનાર યોહાન હેરોદને કહ્યા કરતો હતો, “તમારા ભાઈની પત્ની સાથે લગ્ન કરવું એ તમારે માટે ઉચિત નથી.” તેથી હેરોદિયાસને યોહાન પર વેરભાવ હતો, અને તે તેને મારી નંખાવવા ચાહતી હતી, પણ હેરોદને લીધે તે તેમ કરી શક્તી નહોતી. હેરોદ યોહાનનું માન રાખતો હતો; કારણ, તે જાણતો હતો કે યોહાન ધર્મનિષ્ઠ અને પવિત્ર માણસ છે; અને તેથી તેણે તેને સલામત રાખ્યો હતો. તેનું સાંભળવાનું હેરોદને ગમતું; જોકે દરેક વખતે તે તેનું સાંભળીને અસ્વસ્થ બની જતો. છેવટે હેરોદિયાસને લાગ મળી ગયો. હેરોદે પોતાના જન્મદિવસે બધા ઉચ્ચ અધિકારીઓ, લશ્કરી અફસરો અને ગાલીલના અગ્રગણ્ય નાગરિકો માટે ભોજનસમારંભ યોજ્યો હતો. હેરોદિયાસની પુત્રીએ આવીને નૃત્ય કર્યું, અને હેરોદ તથા આમંત્રિત મહેમાનોને ખુશ કરી દીધા. તેથી રાજાએ છોકરીને પૂછયું, “તારે શું જોઈએ છે? તું જે કંઈ માગીશ, તે હું તને આપીશ.” અને તેણે સોગંદ ખાઈને કહ્યું, “મારું વચન છે કે તું જે કંઈ માગીશ તે મારા અડધા રાજ્ય સુધી હું તને આપીશ.” તેથી તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું, “હું શું માગું?” હેરોદિયાસે જવાબ આપ્યો, “બાપ્તિસ્મા કરનાર યોહાનનું માથું.” છોકરી તરત જ રાજાની પાસે ઉતાવળે પાછી ગઈ અને તેણે માગણી કરી, “મને એક થાળમાં બાપ્તિસ્મા કરનાર યોહાનનું માથું અત્યારે જ લાવી આપો!” એનાથી રાજાને પારાવાર દુ:ખ થયું; પણ તેના બધા મહેમાનો આગળ સોગંદથી બંધાયો હોવાથી તે ના પાડી શક્યો નહિ. તેથી તેણે એક અંગરક્ષકને યોહાનનું માથું તરત લાવવાનો હુકમ કર્યો. અંગરક્ષકે જેલમાં જઈને યોહાનનું માથું કાપી નાખ્યું, અને થાળમાં લાવીને છોકરીને આપ્યું; તેણે તે લઈને પોતાની માને આપ્યું. યોહાનના શિષ્યોએ એ જાણ્યું એટલે તેમણે આવીને તેનું શબ મેળવ્યું અને કબરમાં દફનાવ્યું. પ્રેષિતો ઈસુની પાસે એકત્ર થયા અને તેમણે જે જે કર્યું હતું અને શીખવ્યું હતું તે બધું કહી સંભળાવ્યું. લોકોની અવરજવર એટલી બધી હતી કે ઈસુ તથા તેમના શિષ્યોને ખાવાનો પણ સમય મળતો ન હતો. તેથી ઈસુએ તેમને કહ્યું, “મારી સાથે એક્ંતમાં ચાલો, અને ત્યાં આરામ કરો.” તેથી તેઓ એક્ંત જગ્યાએ જવા હોડીમાં બેસી ઊપડયા. પણ ઘણા લોકોએ તેમને જતા જોયા અને તેમને તરત ઓળખી કાઢયા. તેથી નગરોમાંથી નીકળીને તેઓ બધા ઈસુ તથા તેમના શિષ્યોની અગાઉ તે જગ્યાએ જમીનમાર્ગે દોડી ગયા. ઈસુ હોડીમાંથી ઊતર્યા, ત્યારે વિશાળ જનસમુદાયને જોઈને તેમનું હૃદય અનુકંપાથી ભરાઈ આવ્યું; કારણ, તેઓ ભરવાડ વગરનાં ઘેટાં જેવા હતા. તેથી તેમણે તેમને ઘણી વાતો શીખવવા માંડી. સાંજ પડવા આવી ત્યારે તેમના શિષ્યોએ આવીને કહ્યું, “હવે બહુ મોડું થયું છે, અને આ જગ્યા ઉજ્જડ છે. લોકોને વિદાય કરો; જેથી તેઓ આસપાસનાં પરાં અને ગામોમાં જઈને પોતાને માટે કંઈક ખાવાનું ખરીદે.” ઈસુએ જવાબ આપ્યો, “તમે પોતે જ તેમને ખાવાનું આપો.” તેમણે તેમને કહ્યું, “શું તમારી ઇચ્છા એવી છે કે અમે બસો દીનારની રોટલી લાવીને તેમને ખવડાવીએ?” તેથી ઈસુએ તેમને કહ્યું, “જાઓ, જઈને તપાસ કરો કે તમારી પાસે કેટલી રોટલી છે.” તપાસ કર્યા પછી તેમણે કહ્યું, “પાંચ રોટલી અને બે માછલી પણ છે.” પછી ઈસુએ તેમના શિષ્યોને આજ્ઞા કરી કે, બધા લોકોને જૂથમાં વહેંચી નાખીને તેમને લીલા ઘાસ પર બેસાડો. તેથી લોકો સો સો અને પચાસ પચાસના વ્યવસ્થિત જૂથમાં બેસી ગયા. પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી અને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો. તેમણે રોટલીઓ લીધી, ભાંગી અને લોકોને વહેંચવા માટે પોતાના શિષ્યોને આપી. બે માછલીને પણ તેમણે બધા વચ્ચે વહેંચી. બધાંએ ધરાઈને ખાધું. પછી શિષ્યોએ રોટલી અને માછલીના વધેલા ટુકડાઓથી બાર ટોપલીઓ ભરી. જમનારાઓમાં પાંચ હજાર તો પુરુષો હતા. ઈસુએ તરત જ પોતાના શિષ્યોને હોડીમાં આગ્રહ કરી બેસાડયા અને પોતાની અગાઉ સરોવરને સામે કિનારે બેથસૈદા મોકલ્યા; જ્યારે પોતે જનસમુદાયને વિદાય આપી. તેમને વિદાય કર્યા પછી ઈસુ પ્રાર્થના કરવા પર્વત પર ગયા. રાત પડી ત્યારે હોડી સરોવર મયે હતી; જ્યારે ઈસુ જમીન પર એકલા હતા. ઈસુને ખબર પડી કે તેમના શિષ્યોને સામા પવનને કારણે હોડી હંકારવામાં મુશ્કેલી પડે છે; તેથી સવારના ત્રણથી છ સુધીના સમયમાં તે પાણી પર ચાલીને તેમની પાસે ગયા. પણ તેમણે તેમને પાણી પર ચાલતા જોયા ત્યારે એ તો ભૂત છે એવું ધારીને તેઓએ બૂમ પાડી. કારણ, બધા તેમને જોતાં જ ગભરાઈ ગયા. ઈસુએ તેમને તરત જ કહ્યું, “હિંમત રાખો, એ તો હું છું; બીશો નહિ.” પછી તે તેમની સાથે હોડીમાં ચઢી ગયા અને પવન બંધ થઈ ગયો. શિષ્યો તો અતિ વિસ્મય પામ્યા. કારણ, રોટલીનો પ્રસંગ તેઓ સમજ્યા નહિ. એથી ઊલટું, તેમનાં મન જડ થયાં. સરોવર ઓળંગીને તેઓ ગેન્‍નેસારેત પ્રદેશમાં આવ્યા, અને તેમણે હોડીને કિનારે લાંગરી. તેઓ હોડીમાંથી ઊતર્યા કે તરત જ લોકોએ ઈસુને ઓળખી કાઢયા. તેથી તેઓ આખા પ્રદેશમાં ફરી વળ્યા, અને જ્યાં ઈસુ જતા હોય ત્યાં બીમાર માણસોને તેમની પથારીમાં લાવવા લાગ્યા. ગામડાંઓમાં, શહેરોમાં કે પરાંઓમાં જ્યાં જ્યાં ઈસુ ગયા ત્યાં ત્યાં લોકો તેમનાં માંદાઓને ચોકમાં લાવતા, અને ઈસુના ઝભ્ભાની કોરને સ્પર્શ કરવા દેવા આજીજી કરતા. જેટલા ઝભ્ભાની કોરને સ્પર્શ કરતા તે બધા જ સાજા થઈ જતા હતા. યરુશાલેમથી આવેલા ફરોશીઓ અને નિયમશાસ્રના કેટલાક શિક્ષકો ઈસુની પાસે એકઠા થયા. તેમણે જોયું કે તેમના કેટલાક શિષ્યો ફરોશીઓના કહેવા પ્રમાણે લોકોએ જે રીતે હાથ ધોવા જોઈએ તે રીતે ધોયા વગર ખોરાક ખાતા હતા. કારણ, ફરોશીઓ તેમ જ બાકીના યહૂદીઓ પણ તેમના પૂર્વજો પાસેથી ઊતરી આવેલા રીતરિવાજોને પાળે છે. ઠરાવેલી રીતે હાથ ધોયા વિના તેઓ ખાતા નથી. તેમ જ બજારમાંથી જે કંઈ લાવે તેના પર પ્રથમ છંટકાવ કર્યા વિના ખાતા નથી. વળી, પ્યાલા, લોટા, તાંબાના વાટકા અને પથારીઓ ધોવાની યોગ્ય રીતો જેવા અગાઉથી ઊતરી આવેલા બીજા ઘણા નિયમો તેઓ પાળે છે. તેથી ફરોશીઓએ અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુને પૂછયું, “તમારા શિષ્યો પૂર્વજો પાસેથી ઊતરી આવેલા રીતરિવાજને ન અનુસરતાં અશુદ્ધ હાથે કેમ ખાય છે?” ઈસુએ તેમને જવાબ આપ્યો, “તમ ઢોંગીઓ વિષે યશાયાએ કરેલી ભવિષ્યવાણી કેટલી સાચી છે! તેણે લખેલું છે તેમ, ‘આ લોકો મને શબ્દોથી માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ખરેખર દૂર છે. તેમની ભક્તિ નિરર્થક છે; કારણ, માણસોએ ઘડેલા રિવાજો જાણે કે ઈશ્વરના નિયમો હોય તેમ તેઓ શીખવે છે!’ ઈશ્વરની આજ્ઞાઓ અવગણીને તમે માણસોના રિવાજોને આધીન થાઓ છો.” વળી, ઈસુએ કહ્યું, “તમારા પોતાના રિવાજોને પાળવાને માટે અને ઈશ્વરના નિયમોનું ઉલ્લંઘન કરવાને માટે તમારી પાસે ગજબની યુક્તિ છે. મોશેએ આજ્ઞા આપી, ‘તારાં માતાપિતાને માન આપ,’ વળી, ‘પોતાનાં માતાપિતાની વિરુદ્ધ દુષ્ટ વાતો કહેનારને મારી નાખવો જોઈએ.’ પણ તમે એવું શીખવો છો કે જો કોઈ માણસ પાસે પોતાનાં માતાપિતાને મદદ કરવા માટે કંઈ હોય, પણ તે કહે, ‘આ તો કુરબાન છે’ એટલે કે ઈશ્વરને અર્પિત થઈ ગયેલું છે, તો તમે તેને તેનાં માતાપિતાને માટે કંઈ ન કરવા દેવાની છૂટ આપો છો! આમ, બીજાઓને તમે જે રિવાજો શીખવો છો, તે દ્વારા તમે ઈશ્વરના નિયમોને નિરર્થક કરો છો. અને એવું તો તમે ઘણું કરો છો.” પછી ઈસુએ ફરી જનસમુદાયને પોતાની પાસે બોલાવીને કહ્યું, “તમે બધા મારું સાંભળો અને સમજો. બહારથી કોઈપણ વસ્તુ માણસના પેટમાં જઈને તેને અશુદ્ધ કરી શક્તી નથી; પણ જે બાબતો માણસના દયમાંથી બહાર આવે છે તે તેને અશુદ્ધ કરે છે. [જો તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો]. જનસમુદાયને મૂકીને તે ઘરમાં ગયા ત્યારે તેમના શિષ્યોએ તેમને એ ઉદાહરણ વિષે પૂછયું. ઈસુએ તેમને કહ્યું, “બીજાની જેમ તમને હજુ પણ સમજ પડતી નથી! બહારથી માણસના પેટની અંદર જતું કંઈપણ માણસને અશુદ્ધ કરતું નથી. કારણ, તે તેના હૃદયમાં નહિ, પણ પેટમાં જાય છે અને પછી મળરૂપે બહાર નીકળી જાય છે.” આમ ઈસુએ સર્વ પ્રકારનો ખોરાક ખાવાલાયક ઠરાવ્યો. વળી, તેમણે કહ્યું, “માણસના દયમાંથી જે બહાર આવે છે તે જ માણસને અશુદ્ધ કરે છે. કારણ, અંદરથી, એટલે માણસના દયમાંથી આવતા દુષ્ટ વિચારો તેને છિનાળાં, લૂંટ, ખૂન, વ્યભિચાર, લોભ, અને સર્વ પ્રકારનાં ભૂંડાં કામો કરવા પ્રેરે છે; કપટ, ક્માતુરપણું, ઈર્ષા, નિંદા, અભિમાન અને મૂર્ખાઈ: આ બધી ભૂંડી બાબતો માણસના દયમાંથી આવે છે, અને તેને અશુદ્ધ બનાવે છે.” પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર શહેરની પાસેના પ્રદેશમાં ગયા. તે એક ઘરમાં ગયા, અને પોતે ત્યાં છે એવું કોઈ જાણે તેમ તે ઇચ્છતા ન હતા; પણ તે છૂપા રહી શક્યા નહિ. એક સ્ત્રીની પુત્રીને અશુદ્ધ આત્મા વળગેલો હતો. તેણે ઈસુ વિષે સાંભળ્યું અને તરત જ તેમની પાસે આવીને તેમને પગે પડી. તે સ્ત્રી બિનયહૂદી હતી અને સિરિયાના ફિનીકિયાની વતની હતી. તેણે પોતાની પુત્રીમાંથી દુષ્ટાત્મા કાઢવા ઈસુને આજીજી કરી. પણ ઈસુએ જવાબ આપ્યો, “પ્રથમ છોકરાંને ખાવા દે; કારણ, છોકરાંની રોટલી કૂતરાંને નાખવી ઉચિત નથી.” તેણે જવાબ આપ્યો. “હા પ્રભુ, એ સાચું, છતાં કૂતરાં પણ છોકરાંએ મેજ નીચે નાખી દીધેલા ટુકડા ખાય છે!” તેથી ઈસુએ તેને કહ્યું, “તારા આ જવાબને કારણે તું તારે ઘેર જા; તારી પુત્રીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે!” તે પોતાને ઘેર ગઈ અને જોયું તો તેની પુત્રી પથારીમાં સૂતેલી હતી; તેનામાંથી દુષ્ટાત્મા ખરેખર નીકળી ગયો હતો. પછી ઈસુ તૂરની નજીકનો પ્રદેશ મૂકીને સિદોન ગયા અને દસનગરના પ્રદેશમાં થઈને ગાલીલ સરોવર પાસે આવી પહોંચ્યા. કેટલાક લોકો તેમની પાસે એક બહેરા-બોબડા માણસને લાવ્યા, અને તેના પર હાથ મૂકવા ઈસુને વિનંતી કરી. તેથી ઈસુ તેને એકલાને જનસમુદાયમાંથી લઈ ગયા, પોતાની આંગળીઓ પેલા માણસના કાનમાં ઘાલી અને થૂંકીને એ માણસની જીભને સ્પર્શ કર્યો. પછી ઈસુએ આકાશ તરફ જોઈને ઊંડો નિસાસો નાખ્યો તથા એ માણસને કહ્યું, “એફફાથા,” અર્થાત્ “ઊઘડી જા.” તરત જ એ માણસના કાન ઊઘડી ગયા, તેની જીભ ચોંટી જતી અટકી, અને તે સ્પષ્ટ રીતે બોલવા લાગ્યો. પછી ઈસુએ બધા લોકોને આજ્ઞા કરી કે કોઈને આ વાત કહેશો નહિ. પણ જેમ જેમ તેમણે વધારે તાકીદ કરી તેમ તેમ લોકોએ તેમના સંબંધી વિશેષ જાહેરાત કરી. જેમણે સાંભળ્યું તેઓ આશ્ર્વર્યચકિત થઈ ગયા અને બોલ્યા, “તેમણે બધું સારું જ કર્યું છે! તે તો બહેરાંને સાંભળતાં અને મૂંગાંને બોલતાં કરે છે!” એ દિવસોમાં ફરીવાર વિશાળ જનસમુદાય એકઠો થયો. તેમની પાસે ખોરાક ખલાસ થઈ ગયો, ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, “આ લોકો ઉપર મને અનુકંપા આવે છે; કારણ, ત્રણ ત્રણ દિવસથી તેઓ મારી સાથે છે અને હવે તેમની પાસે કંઈ ખોરાક નથી. જો હું તેમને જમાડયા વિના ઘેર વિદાય કરું, તો તેઓ જતાં જતાં જ નિર્ગત થઈ જશે; કારણ, તેમનામાંના કેટલાંક તો ઘણે દૂરથી આવ્યા છે.” તેમના શિષ્યોએ તેમને કહ્યું, “આ વેરાન જગ્યામાં આટલા બધા લોકો માટે પૂરતું ખાવાનું કોઈનેય મળે ખરું?” ઈસુએ પૂછયું, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેમણે જવાબ આપ્યો, “સાત.” તેમણે લોકોને જમીન પર બેસી જવા આજ્ઞા કરી. પછી તેમણે સાત રોટલી લીધી, ઈશ્વરનો આભાર માન્યો, અને ભાંગીને પીરસવા માટે પોતાના શિષ્યોને આપી; અને શિષ્યોએ લોકોને તે પીરસી. તેમની પાસે થોડીક નાની માછલીઓ પણ હતી. ઈસુએ તેમને માટે પણ આભાર માન્યો અને તે પણ પોતાના શિષ્યોને પીરસવાનું કહ્યું. બધાએ ધરાઈને ખાધું. ત્યાં લગભગ ચાર હજાર માણસો હતા. પછી શિષ્યોએ વધેલા ટુકડાઓની સાત ટોપલીઓ ભરી. ઈસુએ લોકોને વિદાય કર્યા, અને તરત જ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેસીને દલમાનુથાના પ્રદેશમાં ગયા. કેટલાક ફરોશીઓ ઈસુની પાસે આવીને વિવાદ કરવા લાગ્યા. તેઓ તેમને ફસાવવા માગતા હતા, તેથી ઈસુને ઈશ્વરની સંમતિ છે તેના પુરાવા તરીકે ચમત્કાર કરવા તેમણે તેમને જણાવ્યું. ઈસુએ ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું, “આ જમાનાના લોકો પુરાવા તરીકે ચમત્કાર કેમ માગે છે? હું તમને સાચે જ કહું છું કે આ લોકોને એવો કોઈ પુરાવો આપવામાં આવશે નહિ.” તે તેમને મૂકીને હોડીમાં ચઢી ગયા અને સરોવરને સામે કિનારે જવા ઊપડયા. શિષ્યો ખોરાક લેવાનું ભૂલી ગયા હતા, અને હોડીમાં તેમની પાસે ફક્ત એક જ રોટલી હતી. ઈસુએ તેમને ચેતવણી આપતાં કહ્યું, “યાન રાખો અને ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધ રહો.” તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા કે, “આપણી પાસે રોટલી નથી તેથી તે આમ કહે છે.” તેઓ જે કહેતા હતા તે ઈસુ જાણતા હોવાથી તેમણે તેમને પૂછયું, “તમારી પાસે રોટલી નથી એની ચર્ચા શા માટે કરો છો? હજી સુધી શું તમને સૂઝતું નથી? હજી તમે સમજતા નથી? શું તમારાં મન સાવ જડ થઈ ગયાં છે? છતી આંખે તમે જોઈ શક્તા નથી? છતે કાને તમે સાંભળી શક્તા નથી? મેં પાંચ હજાર લોકો માટે પાંચ રોટલી ભાંગી હતી તે તો તમને યાદ છે ને? ત્યારે તમે વધેલા ટુકડાથી ભરેલી કેટલી ટોપલીઓ ઉપાડી હતી?” તેમણે જવાબ આપ્યો, “બાર.” વળી, ઈસુએ પૂછયું, “મેં જ્યારે ચાર હજાર લોકો માટે સાત રોટલી ભાંગી ત્યારે તમે વધેલા ટુકડા ભરેલી કેટલી ટોપલી ઉઠાવી હતી?” તેમણે કહ્યું, “સાત.” તેમણે તેમને કહ્યું, “છતાં, તમે કેમ સમજતા નથી?” તેઓ બેથસૈદામાં આવ્યા. ત્યાં કેટલાક લોકો એક આંધળા માણસને ઈસુ પાસે લાવ્યા અને તેમને વિનંતી કરી કે તમે આને સ્પર્શ કરો. ઈસુ આંધળા માણસનો હાથ પકડીને તેને ગામ બહાર દોરી ગયા. એ માણસની આંખો પર થૂંકીને પોતાના હાથ તેના પર મૂક્યા, અને તેને પૂછયું, “તને કંઈ દેખાય છે?” એટલે તેણે આંખો ઊંચી કરીને કહ્યું, “હા, હું માણસોને જોઉં છું, પણ તેઓ ચાલતા વૃક્ષ જેવા લાગે છે.” ઈસુએ ફરીથી પોતાના હાથ એ માણસની આંખો ઉપર મૂક્યા. આ વખતે એ માણસ ધારી ધારીને જોવા લાગ્યો. તેની દૃષ્ટિ તેને પાછી મળી, અને તેને બધું સ્પષ્ટ દેખાયું. પછી ઈસુએ તેને ઘેર જવા વિદાય કરતાં કહ્યું, “આ ગામમાં પાછો જઈશ નહિ.” પછી ઈસુ અને તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપ્પીનાં ગામડાંઓમાં ગયા. રસ્તે જતાં તેમણે તેમને પૂછયું, “હું કોણ છું એ વિષે લોકો શું કહે છે?” તેમણે કહ્યું, “કેટલાક કહે છે કે તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો; કેટલાક કહે છે કે તમે એલિયા છો; જ્યારે બીજા કેટલાક કહે છે કે તમે ઈશ્વરના સંદેશવાહકોમાંના કોઈએક છો.” તેમણે તેમને પૂછયું, “પણ હું કોણ છું તે વિષે તમે શું કહો છો?” પિતરે જવાબ આપ્યો, “તમે તો મસીહ છો.” ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી, “મારા વિષે કોઈને કશું કહેશો નહિ.” પછી ઈસુ પોતાના શિષ્યોને શીખવવા લાગ્યા: “માનવપુત્રે ઘણું દુ:ખ સહેવું, અને આગેવાનો, મુખ્ય યજ્ઞકારો તથા નિયમશાસ્ત્રના શિક્ષકોથી તિરસ્કાર પામવો, મારી નંખાવું અને ત્રીજે દિવસે સજીવન થવું એ જરૂરી છે.” તેમણે તેમને એ વાત ઘણી સ્પષ્ટ રીતે કરી. તેથી પિતર તેમને એક બાજુએ લઈ જઈને ઠપકો આપવા લાગ્યો. પણ ઈસુએ પાછા ફરીને પોતાના શિષ્યો તરફ જોયું, અને પિતરને ધમકાવ્યો. તેમણે કહ્યું, “શેતાન, દૂર હટ! તું માણસની રીતે વિચારે છે, ઈશ્વરની રીતે નહિ!” પછી ઈસુએ જનસમુદાયને અને પોતાના શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, “જો કોઈ મારી પાછળ ચાલવા માગે, તો તેણે પોતાની જાતનો નકાર કરવો, પોતાનો ક્રૂસ ઊંચકવો અને મને અનુસરવું. કારણ, જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે અને શુભસંદેશને લીધે પોતાનું જીવન ગુમાવશે તે તેને બચાવશે. જો કોઈ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનું જીવન નાશ પામે તો તેથી તેને શો લાભ? પોતાના જીવનના બદલામાં માણસ પાસે આપવા જેવું કંઈ જ નથી. તેથી જો કોઈ મારે વિષે અથવા મારા શિક્ષણ વિષે આ બેવફા અને દુષ્ટ જમાનામાં શરમાય, તો માનવપુત્ર પણ પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે ત્યારે તેને લીધે શરમાશે.” વળી, તેમણે કહ્યું, “હું તમને સાચે જ કહું છું: અહીં આગળ કેટલાક એવા છે કે જેઓ ઈશ્વરના રાજને પરાક્રમથી આવેલું નહિ જુએ ત્યાં સુધી મરવાના નથી.” છ દિવસ પછી ઈસુ માત્ર પિતર, યાકોબ અને યોહાનને લઈને એક ઊંચા પર્વત પર એક્ંતમાં ગયા. તેઓ જોતા હતા એવામાં ઈસુનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્ત્ર અતિ ઉજ્જવળ અને સફેદ બન્યાં; એવાં સફેદ કે દુનિયામાંનો કોઈ ધોબી એવાં સફેદ ધોઈ શકે જ નહિ. પછી એ ત્રણ શિષ્યોએ એલિયા અને મોશેને ઈસુની સાથે વાતો કરતા જોયા પિતર ઈસુને સંબોધતાં બોલી ઊઠયો, “ગુરુજી, આપણે અહીં છીએ એ સારું છે. અમે ત્રણ તંબુ બનાવીશું: એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે.” કારણ, શિષ્યો એટલા બધા ગભરાઈ ગયા હતા કે શું બોલવું તે પિતરને સૂઝયું નહિ. એક વાદળે આવીને તેમના પર છાયા કરી, અને વાદળમાંથી આકાશવાણી સંભળાઈ, “આ મારો પ્રિય પુત્ર છે; તેનું સાંભળો.” તેમણે તરત જ આજુબાજુ જોયું, પણ માત્ર ઈસુ સિવાય પોતાની સાથે બીજા કોઈને જોયા નહિ. તેઓ પર્વત પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેમને આજ્ઞા આપી, “તમે જે જોયું છે તે અંગે માનવપુત્ર મરણમાંથી સજીવન થાય નહિ ત્યાં સુધી કોઈને કહેતા નહિ.” તેમણે તેમની આજ્ઞા તો માની, પણ “મરણમાંથી સજીવન થવું એટલે શું” એ બાબતની તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. અને તેમણે ઈસુને પૂછયું, “એલિયાએ પહેલાં આવવું જોઈએ તેવું નિયમશાસ્ત્રના શિક્ષકો કેમ કહે છે?” ઈસુએ તેમને કહ્યું, “સર્વ બાબતોની પૂર્વ તૈયારીને માટે ખરેખર એલિયા પહેલો આવે છે; પણ માનવપુત્રે ઘણું દુ:ખ સહન કરવું અને તિરસ્કાર પામવો જોઈએ એવું ધર્મશાસ્ત્ર કેમ કહે છે? છતાં હું તમને કહું છું કે એલિયા આવી ચૂક્યો છે, અને શાસ્ત્રમાં જેમ લખ્યું છે તેમ તેઓ તેની સાથે મનફાવે તેમ વર્ત્યા છે.” જ્યારે તેઓ બાકીના શિષ્યોને મળ્યા, ત્યારે તેમણે તેમની આસપાસ લોકોનું મોટું ટોળું જોયું. નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો શિષ્યોની સાથે વિવાદ કરતા હતા. ઈસુને જોતાંની સાથે લોકો ખૂબ આશ્ર્વર્યમાં પડી ગયા અને દોડીને તેમને પ્રણામ કર્યા. ઈસુએ પોતાના શિષ્યોને પૂછયું, “તમે તેમની સાથે શી ચર્ચા કરો છો?” ટોળામાંથી એક માણસ બોલ્યો, “ગુરુજી, મારા દીકરાને હું તમારી પાસે લાવ્યો છું. તેને દુષ્ટાત્મા વળગેલો છે અને તે તેને બોલવા દેતો નથી. દુષ્ટાત્મા તેના પર હુમલો કરે છે, ત્યારે તે તેને જમીન પર પછાડે છે અને તેના મોંમાંથી ફીણ નીકળે છે. તે તેના દાંત કચકચાવે છે અને આખું શરીર અક્કડ થઈ જાય છે. મેં તમારા શિષ્યોને દુષ્ટાત્મા કાઢવા વિનંતી કરી, પણ તેઓ કાઢી શક્યા નહિ.” ઈસુએ તેમને કહ્યું, “તમે કેવા અવિશ્વાસુ લોકો છો! તમારી સાથે મારે ક્યાં સુધી રહેવું? મારે ક્યાં સુધી તમારું સહન કરવું? છોકરાને મારી પાસે લાવો!” તેઓ તેને ઈસુની પાસે લાવ્યા, ઈસુને જોતાંની સાથે જ દુષ્ટાત્માએ છોકરાને તાણ આણી; તેથી તે જમીન પર પડી જઈ મોંમાંથી ફીણ કાઢતો આળોટવા લાગ્યો. ઈસુએ છોકરાના પિતાને પૂછયું, “આને આવું ક્યારથી થાય છે?” તેણે જવાબ આપ્યો, “બાળપણથી જ. તેણે એને ઘણી વાર આગમાં અને પાણીમાં ફેંકી દઈ મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. જો તમારાથી બની શકે તો અમારા પર કૃપા કરી અમને મદદ કરો!” ઈસુએ કહ્યું, “‘જો તમારાથી બની શકે તો!’ વિશ્વાસ રાખનાર વ્યક્તિને માટે બધું જ શકાય છે.” છોકરાનો પિતા બોલી ઊઠયો, “હું વિશ્વાસ તો રાખું છું, પણ તે આૂરો છે. મારો વિશ્વાસ વધારો.” ઈસુએ ટોળાને તેમની તરફ ઝડપથી ધસી આવતું જોયું, તેથી તેમણે દુષ્ટાત્માને હુકમ કરતાં કહ્યું, “બહેરા અને મૂંગાં બનાવનાર આત્મા, હું તને હુકમ કરું છું કે તું છોકરામાંથી બહાર નીકળી જા, અને ફરી કદી તેનામાં પ્રવેશ ન કર!” દુષ્ટાત્માએ ચીસ પાડી, છોકરાને મરડી નાખ્યો અને બહાર નીકળી ગયો. છોકરો મરેલા જેવો દેખાયો; જેથી બધા કહેવા લાગ્યા, “તે તો મરી ગયો!” પણ ઈસુએ છોકરાનો હાથ પકડીને તેને ઊભો કર્યો એટલે તે ઊભો થયો. ઈસુ ઘરમાં ગયા એટલે તેમના શિષ્યોએ ખાનગીમાં પૂછયું, “અમે એ દુષ્ટાત્માને કેમ કાઢી ન શક્યા?” ઈસુએ જવાબ આપ્યો, “આ જાતના દુષ્ટાત્માઓ માત્ર પ્રાર્થના દ્વારા જ કાઢી શકાય છે; બીજા કોઈ ઉપાયથી નહિ.” ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને પસાર થતા હતા. પોતે ક્યાં છે એવું કોઈ ન જાણે એવી ઈસુની ઇચ્છા હતી. કારણ, તે પોતાના શિષ્યોને શીખવતા હતા, “માનવપુત્રની ધરપકડ કરાવવામાં આવશે અને ધરપકડ કરનારાઓ તેમને મારી નાખશે; છતાં ત્રણ દિવસ પછી તેને મરણમાંથી સજીવન કરવામાં આવશે.” એ વાત શિષ્યો સમજી શક્યા નહિ; છતાં તેમને કંઈ પણ પૂછવાની તેમની હિંમત ચાલી નહિ. તેઓ કાપરનાહૂમમાં આવી પહોંચ્યા, અને ઘરમાં ગયા પછી ઈસુએ તેમના શિષ્યોને પૂછયું, “રસ્તે ચાલતાં તમે શાની ચર્ચા કરતા હતા?” પણ તેમણે તેમને કશો જવાબ આપ્યો નહિ; કારણ, તેઓ રસ્તે ચાલતાં તેમનામાં સૌથી મોટું કોણ એ અંગે અંદરોઅંદર ચર્ચા કરતા હતા. ઈસુ બેઠા અને પોતાના બારે શિષ્યોને બોલાવીને કહ્યું, “તમારામાં જે પ્રથમ થવા માગે તેણે પોતાને સૌથી છેલ્લો રાખવો અને બધાના સેવક થવું.” તેમણે એક બાળકને લઈને તેમની આગળ ઊભું રાખ્યું. પછી તેને બાથમાં લઈને તેમને કહ્યું, “જે કોઈ મારે નામે આવા બાળકનો સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે; અને જે મારો સ્વીકાર કરે છે, તે માત્ર મારો જ નહિ, પણ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.” યોહાને તેમને કહ્યું, “ગુરુજી, અમે એક માણસને તમારે નામે દુષ્ટાત્માઓ કાઢતાં જોયો; પણ તે આપણા પક્ષનો નહિ હોવાથી અમે તેને તેમ કરતાં અટકાવ્યો.” ઈસુએ તેમને કહ્યું, “તેને અટકાવશો નહિ; કારણ, કોઈપણ માણસ મારે નામે ચમત્કાર કર્યા પછી તરત જ મારી વિરુદ્ધ ભૂંડી વાતો બોલી શક્તો નથી. કારણ, જે આપણી વિરુદ્ધનો નથી, તે આપણા પક્ષનો છે. હું તમને સાચે જ કહું છું: તમે ખ્રિસ્તના શિષ્ય હોવાથી જે કોઈ તમને પાણીનો પ્યાલો આપશે, તે તેનો બદલો જરૂર પામશે.” “વળી, આ નાનાઓમાંના કોઈને જો કોઈ મારા પરના તેના વિશ્વાસથી ડગાવી દે, તો એ કરતાં એ માણસને ગળે ઘંટીનો મોટો પથ્થર બંધાય અને તે સમુદ્રમાં નંખાય એ તેને માટે સારું છે. તેથી જો તારો હાથ તને મારા પરના વિશ્વાસથી ડગાવી દે, તો તેને કાપી નાખ! બે હાથ લઈ નરકમાં જવું જ્યાં કોરી ખાનાર કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી, એ કરતાં ઠૂંઠા થઈ જીવનમાં દાખલ થવું એ તારે માટે સારું છે. અને જો તારો પગ તને મારા પરના વિશ્વાસથી ડગાવી દે, તો તેને કાપી નાખ! બે પગ લઈ નરકમાં નંખાવું, જ્યાં કોરી ખાનાર કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી તે કરતાં લંગડા થઈ જીવનમાં દાખલ થવું એ તારે માટે સારું છે. અને જો તારી આંખ તને મારા પરના વિશ્વાસથી ડગાવી દે, તો તેને કાઢી નાખ! બે આંખ લઈને નરકમાં નંખાવું, જ્યાં કોરી ખાનાર કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી તે કરતાં કાણા થઈ ઈશ્વરના રાજમાં દાખલ થવું, એ તારે માટે સારું છે. “કારણ, દરેક જણની અગ્નિ દ્વારા પરીક્ષા થશે. મીઠું તો ઉપયોગી છે; પણ જો તે તેની ખારાશ ગુમાવે તો તેને કેવી રીતે ખારું કરી શકાય? તમારામાં મીઠું રાખો, અને એકબીજા સાથે શાંતિમાં રહો.” પછી ત્યાંથી નીકળીને ઈસુ યર્દન નદીની પેલે પાર આવેલા યહૂદિયાના પ્રદેશમાં આવ્યા. લોકોનાં ટોળેટોળાં તેમની પાસે આવ્યાં અને તે તેમને હંમેશની માફક શીખવવા લાગ્યા. કેટલાક ફરોશીઓ તેમની પાસે તેમની પરીક્ષા કરવા આવ્યા. તેમણે તેમને પૂછયું, “આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે પુરુષ તેની પત્નીથી લગ્નવિચ્છેદ કરી શકે કે કેમ તે અમને કહો.” ઈસુએ તેમને સામો સવાલ કર્યો, “મોશેએ તમને કેવી આજ્ઞા આપી છે?” તેમણે જવાબ આપ્યો, “મોશેએ તો પુરુષ પોતાની પત્નીને લગ્નવિચ્છેદનું લખાણ આપી મૂકી દે એવી છૂટ આપી છે.” ઈસુએ તેમને જવાબ આપ્યો, “મોશેએ તો આ આજ્ઞા તમારાં મન કઠોર હોવાથી આપી. પણ શરૂઆતમાં, એટલે કે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે તો આવું કહેવામાં આવ્યું હતું: ‘ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બનાવ્યાં. અને એટલા જ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે; અને તેઓ બન્‍ને એક દેહ થશે.’ તેથી હવે તેઓ બે નહિ, પણ એક છે. એ માટે ઈશ્વરે જેમને જોડયાં છે તેમને કોઈ માણસે અલગ પાડવાં નહિ.” તેઓ ઘરમાં ગયા, ત્યારે શિષ્યોએ ઈસુને આ બાબત અંગે પૂછયું. તેમણે તેમને કહ્યું, “પોતાની પત્નીથી લગ્નવિચ્છેદ કરી બીજી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ તેની પત્નીની વિરુદ્ધ વ્યભિચાર કરે છે; એ જ પ્રમાણે પોતાના પતિથી લગ્નવિચ્છેદ કરી બીજા પુરુષ સાથે લગ્ન કરનાર સ્ત્રી પણ વ્યભિચાર કરે છે.” કેટલાક લોકો બાળકોને ઈસુની પાસે લાવ્યા કે તે તેમને માથે હાથ મૂકે; પણ શિષ્યોએ લોકોને ધમકાવ્યા. ઈસુ એ જોઈને ગુસ્સે ભરાયા અને તેમણે શિષ્યોને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે. હું તમને સાચે જ કહું છું: જે કોઈ બાળકની માફક ઈશ્વરના રાજનો સ્વીકાર કરતું નથી, તે તેમાં કદી જ પ્રવેશ કરી શકશે નહિ.” પછી તેમણે બાળકોને બાથમાં લીધાં અને પ્રત્યેક પર પોતાનો હાથ મૂકીને તેમને આશિષ આપી. ઈસુ રસ્તે જઈ રહ્યા હતા, ત્યારે એક માણસ દોડતો આવ્યો અને તેણે તેમને પગે પડીને પૂછયું, “ઉત્તમ શિક્ષક, સાર્વકાલિક જીવન પામવા મારે શું કરવું જોઈએ?” ઈસુએ તેને પૂછયું, “તું મને ઉત્તમ કેમ કહે છે? એકમાત્ર ઈશ્વર વિના બીજું કોઈ ઉત્તમ નથી. તું આજ્ઞાઓ તો જાણે છે: ‘ખૂન ન કર; વ્યભિચાર ન કર; ચોરી ન કર; જુઠ્ઠી સાક્ષી ન પૂર; છેતરપિંડી ન કર; તારાં માતાપિતાનું સન્માન કર.” પેલા માણસે કહ્યું, “ગુરુજી, એ બધી આજ્ઞાઓ તો હું મારી જુવાનીથી પાળતો આવ્યો છું.” ઈસુએ તેની સામે પ્રેમપૂર્વક જોઈને કહ્યું, “તારે એક વાતની જરૂર છે. જા, જઈને તારું સર્વ વેચી દે અને તારા પૈસા ગરીબોને આપી દે; તને સ્વર્ગમાં સમૃદ્ધિ મળશે. પછી આવીને મને અનુસર.” એ માણસે જ્યારે તે સાંભળ્યું, ત્યારે તેનું મોં ઉદાસ થઈ ગયું, અને તે દુ:ખી થઈ ચાલ્યો ગયો; કારણ, તે ઘણો ધનવાન હતો. ઈસુએ આજુબાજુ નજર ફેરવતાં પોતાના શિષ્યોને કહ્યું, “ધનવાન માણસો માટે ઈશ્વરના રાજમાં પ્રવેશ મેળવવાનું કેટલું મુશ્કેલ છે!” શિષ્યો એ શબ્દો સાંભળી ચોંકી ઊઠયા, પણ ઈસુએ કહેવાનું ચાલુ રાખ્યું, “મારાં બાળકો, ઈશ્વરના રાજમાં પેસવું એ કેટલું અઘરું છે! ધનવાન માણસને ઈશ્વરના રાજમાં જવું તે કરતાં ઊંટને સોયના નાક્માં થઈને જવું સહેલું છે.” એનાથી શિષ્યો ઘણું જ આશ્ર્વર્ય પામ્યા, અને એકબીજાને કહેવા લાગ્યા, “તો પછી કોણ ઉદ્ધાર પામી શકે?” ઈસુએ તેમની સામું જોઈને કહ્યું, “માણસો માટે તો એ અશક્ય છે, પણ ઈશ્વર માટે નહિ; ઈશ્વરને માટે તો બધું જ શકાય છે.” પછી પિતર બોલી ઊઠયો, “જુઓ, અમે તો બધું મૂકી દઈને તમને અનુસરીએ છીએ.” ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારે લીધે અને શુભસંદેશને લીધે ઘર, ભાઈઓ, બહેનો, માતા, પિતા, છોકરાં કે ખેતરોનો ત્યાગ કરે છે, તેને આ વર્તમાન યુગમાં ઘણું મળશે. તેને સોગણાં ઘર, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અને ખેતરો, વળી, સાથે સતાવણીઓ પણ મળશે; અને આવનાર યુગમાં તે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરશે. પણ ઘણા જેઓ હમણાં પ્રથમ છે તેઓ છેલ્લા થશે, અને જેઓ હમણાં છેલ્લા છે તેઓ પ્રથમ થશે.” હવે તેઓ યરુશાલેમને માર્ગે હતા. ઈસુ શિષ્યોની આગળ ચાલતા હતા. શિષ્યો સ્તબ્ધ થઈ ગયા હતા; પાછળ ચાલનાર લોકો ભયભીત હતા. ફરીવાર ઈસુએ બાર શિષ્યોને બાજુએ લઈ જઈને પોતા પર જે વીતવાનું હતું તે અંગે કહ્યું. તેમણે તેમને કહ્યું, “જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ. ત્યાં માનવપુત્ર મુખ્ય યજ્ઞકારો, અને નિયમશાસ્ત્રના શિક્ષકોના હાથમાં સોંપાશે. તેઓ તેને મોતની સજા ફટકારશે; અને તેને પરદેશી સત્તાધીશોના હાથમાં સોંપી દેશે. પછી તેઓ તેની મશ્કરી કરશે, તેના પર થૂંકશે, તેને કોરડા મારશે, અને મારી નાખશે. પણ ત્રીજે દિવસે તે પાછો સજીવન કરાશે.” પછી ઝબદીના દીકરાઓ યાકોબ અને યોહાન ઈસુની પાસે આવ્યા. તેમણે કહ્યું, “ગુરુજી, તમે અમારી એક ઇચ્છા પૂરી કરો એવી અમારી માંગણી છે.” ઈસુએ તેમને પૂછયું, “હું તમારે માટે શું કરું? તમારી શી માંગણી છે?” તેમણે જવાબ આપ્યો, “મહિમાવંત રાજ્યમાં તમે રાજ્યાસન પર બેસો, ત્યારે તમે અમને, એકને તમારે જમણે હાથે અને બીજાને તમારે ડાબે હાથે બેસવા દો એવું અમે ચાહીએ છીએ.” ઈસુએ તેમને કહ્યું, “તમે શું માગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલો મારે પીવાનો છે તે શું તમે પી શકો છો? મારે જે રીતે બાપ્તિસ્મા પામવાનું છે તે રીતે શું તમે બાપ્તિસ્મા પામી શકો છો?” તેમણે જવાબ આપ્યો, “હા, અમે તેમ કરી શકીએ છીએ.” ઈસુએ તેમને કહ્યું, “જે પ્યાલો મારે પીવો જોઈએ, તે તમે પીશો ખરા, અને જે બાપ્તિસ્મા મારે લેવું જોઈએ તે બાપ્તિસ્મા તમે લેશો ખરા, પણ મારે જમણે અથવા ડાબે હાથે કોણ બેસશે તે નક્કી કરવાનું ક્મ મારું નથી. એ તો ઈશ્વરે જેમને માટે એ સ્થાન તૈયાર કરેલાં છે તેમને જ તે આપશે.” બાકીના દસ શિષ્યોએ એ સાંભળ્યું, ત્યારે તેઓ યાકોબ અને યોહાન પર ગુસ્સે થઈ ગયા. તેથી ઈસુએ બધાને પોતાની પાસે બોલાવીને કહ્યું, “જેમને પરદેશીઓ પર સત્તા ચલાવવાની હોય છે, તેઓ લોકો પર દમન ગુજારે છે, અને સત્તાધીશો તેમની પર અધિકાર ચલાવે છે. પણ તમારામાં એવું ન થવું જોઈએ. જો તમારામાંનો કોઈ આગેવાન બનવા માગે, તો તેણે બાકીનાના સેવક બનવું જોઈએ. વળી, જો કોઈ પ્રથમ થવા ચાહે, તો તેણે બધાના ગુલામ બનવું જોઈએ. કારણ, માનવપુત્ર સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને અને ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે.” તેઓ યરીખોમાં આવ્યા. ઈસુ પોતાના શિષ્યો તથા મોટા ટોળા સાથે યરીખોથી નીકળતા હતા, ત્યારે તિમાયનો દીકરો અંધ બાર્તિમાય રસ્તે ભીખ માગતો બેઠો હતો. જ્યારે તેને ખબર પડી કે એ તો નાઝારેથના ઈસુ છે ત્યારે તે બૂમો પાડવા લાગ્યો, “ઈસુ, દાવિદના પુત્ર, મારા પર દયા કરો!” ઘણાએ તેને ધમકાવ્યો અને શાંત રહેવા કહ્યું. પણ તે તો એથી પણ વધારે જોરથી બૂમો પાડવા લાગ્યો, “દાવિદના પુત્ર, મારા પર દયા કરો!” ઈસુએ ઊભા રહીને કહ્યું, “તેને બોલાવો.” તેથી તેમણે એ આંધળા માણસને બોલાવીને કહ્યું, “હિંમત રાખ; ઊભો થા; ઈસુ તને બોલાવે છે.” તેણે પોતાનો ઝભ્ભો ફેંકી દીધો, તે કૂદીને ઊઠયો અને ઈસુ પાસે આવ્યો. ઈસુએ તેને પૂછયું, “તારી શી ઇચ્છા છે? તારે માટે હું શું કરું?” અંધજને જવાબ આપ્યો, “ગુરુજી, મારે દેખતા થવું છે.” ઈસુએ તેને કહ્યું, “જા, તારા વિશ્વાસે તને દેખતો કર્યો છે.” તે તરત જ દેખતો થયો, અને માર્ગમાં ઈસુની પાછળ ચાલવા લાગ્યો. તેઓ યરુશાલેમની નજીક, એટલે ઓલિવ પર્વત પાસે આવેલા બેથફાગે અને બેથાનિયા ગામે આવી પહોંચ્યા. ઈસુએ પોતાના બે શિષ્યોને આવી સૂચનાઓ આપી આગળ મોકલ્યા: “તમે સામેના ગામમાં જાઓ; તેમાં પેસતાં જ તમને જેના પર હજુ કોઈએ સવારી કરી નથી તેવો વછેરો બાંધેલો મળશે. તેને છોડીને અહીં લાવો. જો કોઈ તમને પૂછે કે, ‘આને કેમ છોડો છો?’ તો તેને કહેજો કે પ્રભુને તેની જરૂર છે, અને થોડી જ વારમાં તેને અહીં પાછો મોકલી આપશે.” તેથી તેઓ ગયા અને શેરીમાં એક ઘરને બારણે તેમણે વછેરો જોયો. તેઓ તેને છોડતા હતા, ત્યારે પાસે ઊભેલાઓમાંના કોઈકે તેમને પૂછયું, “આ વછેરાને શા માટે છોડો છો?” ઈસુએ તેમને જેમ કહ્યું હતું તેમ જ તેમણે જવાબ આપ્યો. તેથી તેમણે તેમને જવા દીધા. તેઓ વછેરાને ઈસુ પાસે લાવ્યા, પોતાનાં વસ્ત્ર એ પ્રાણી પર નાખ્યાં એટલે ઈસુ તે પર સવાર થયા. ઘણા લોકોએ માર્ગમાં પોતાનાં વસ્ત્ર પાથર્યાં; જ્યારે બીજા કેટલાકે ખેતરોમાંથી ડાળીઓ કાપી લાવીને માર્ગમાં પાથરી. આગળ અને પાછળ ચાલતાં ચાલતાં લોકોએ પોકાર કર્યો, “હોસાન્‍ના! પ્રભુને નામે જે આવે છે તે ઈશ્વરથી આશીર્વાદિત હો! આપણા પિતૃ દાવિદના આવી રહેલા રાજ્યને ઈશ્વર આશિષ આપો. ઉચ્ચસ્થાનોમાં જય હો!” ઈસુ યરુશાલેમમાં દાખલ થઈ મંદિરમાં ગયા અને ચોતરફ નજર ફેરવી બધું જોયું. પણ મોડું થઈ ગયું હોવાથી તે પોતાના બાર શિષ્યો સાથે બેથાનિયા જતા રહ્યા. બીજે દિવસે તેઓ બેથાનિયાથી પાછા ફરતા હતા, ત્યારે ઈસુને ભૂખ લાગી. તેમણે દૂર પાંદડાંથી છવાઈ ગયેલું અંજીરીનું વૃક્ષ જોયું અને કદાચ કંઈક મળે તે માટે તેઓ તેની પાસે ગયા, ત્યારે માત્ર પાંદડાં સિવાય કંઈ જોવા મળ્યું નહિ; કારણ, અંજીરની મોસમ ન હતી. ઈસુએ અંજીરીને કહ્યું, “હવે કોઈ તારા પરથી કદી ફળ ખાશે નહિ.” શિષ્યોએ એ સાંભળ્યું. તેઓ યરુશાલેમ આવ્યા એટલે ઈસુ મંદિરમાં ગયા અને બધા ખરીદનારા અને વેચનારાઓને બહાર કાઢી મૂકવા લાગ્યા. તેમણે શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધાં વાળી નાખ્યાં, અને મંદિરમાંથી કંઈ લઈ જવા દીધું નહિ. પછી તેમણે લોકોને શીખવ્યું, “ધર્મશાસ્ત્રમાં લખેલું છે, ‘મારું ઘર બધી પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તો તેને લૂંટારાઓનું ધામ બનાવી દીધું છે!” મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ એ સાંભળ્યું, તેથી તેઓ ઈસુને મારી નાખવાનો લાગ શોધવા લાગ્યા. પણ તેઓ ઈસુથી ડરતા હતા; કારણ, જનસમુદાય તેમના ઉપદેશથી આશ્ર્વર્ય પામ્યો હતો. સાંજ પડતાં ઈસુ તથા તેમના શિષ્યો શહેર બહાર ચાલ્યા ગયા. બીજે દિવસે વહેલી સવારે રસ્તે જતાં તેમણે પેલી અંજીરી જોઈ. તે સમૂળગી સુકાઈ ગઈ હતી. જે બન્યું હતું તે પિતરને યાદ આવ્યું. તેણે ઈસુને કહ્યું, “ગુરુજી, જુઓ તો ખરા, તમે જેને શાપ આપેલો તે અંજીરી સુકાઈ ગઈ છે!” ઈસુએ તેમને જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: જો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખીને આ પર્વતને કહો કે, ‘ઊખડીને સમુદ્રમાં પડ!’ અને તમારા હૃદયમાં શંકા ન રાખતાં, તમે જે કહો છો તે થશે જ એવો વિશ્વાસ રાખો, તો તમારે માટે તે કરાશે. તેથી હું તમને કહું છું: જ્યારે તમે પ્રાર્થનામાં કંઈક માગો તો તમને તે મળી ચૂકાયું છે એવો વિશ્વાસ રાખો; એટલે તમે જે માગો તે તમને આપવામાં આવશે. વળી, જ્યારે તમે પ્રાર્થના કરતા હો, ત્યારે તમારે કોઈની વિરુદ્ધ કંઈ હોય, તો તેને માફ કરો; જેથી તમારા આકાશમાંના પિતા પણ તમારા અપરાધ માફ કરશે. [ જો તમે બીજાઓને માફ નહિ કરો, તો તમારા આકાશમાંના પિતા પણ તમારા અપરાધ માફ નહિ કરે].” તેઓ યરુશાલેમ પાછા આવ્યા. ઈસુ મંદિરમાં ફરતા હતા ત્યારે મુખ્ય યજ્ઞકારો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને આગેવાનો તેમની પાસે આવ્યા. તેમણે તેમને પૂછયું, “કયા અધિકારથી તમે આ બધાં કામો કરો છો? તમને એ અધિકાર કોણે આપ્યો?” ઈસુએ તેમને જવાબ આપ્યો, “હું તમને એક પ્રશ્ર્ન પૂછીશ અને જો તમે મને તેનો જવાબ આપશો તો કયા અધિકારથી હું આ કામો કરું છું તે તમને કહીશ. મને કહો, યોહાનને બાપ્તિસ્મા આપવાનો અધિકાર ક્યાંથી મળ્યો હતો? ઈશ્વર તરફથી કે માણસો તરફથી?” તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા, “આપણે શું કહીએ? જો આપણે એમ જવાબ આપીએ કે ‘ઈશ્વરથી’, તો તે કહેશે, ‘તો પછી તમે યોહાન પર વિશ્વાસ કેમ ન કર્યો?’ પણ જો આપણે એમ કહીએ, ‘માણસોથી,’ તો આપણે લોકોથી ડરીએ છીએ.” કારણ, બધાને ખાતરી થઈ ચૂકી હતી કે યોહાન ઈશ્વરનો સંદેશવાહક હતો. તેથી તેમણે ઈસુને જવાબ આપ્યો, “અમને ખબર નથી.” ઈસુએ તેમને કહ્યું, “તો પછી હું પણ કયા અધિકારથી આ કાર્યો કરું છું તે તમને નહિ જણાવું.” પછી ઈસુએ તેમની સાથે ઉદાહરણો દ્વારા વાત કરી: “એક માણસે દ્રાક્ષવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, ખાડો ખોદીને દ્રાક્ષ પીલવાનો કુંડ બનાવ્યો અને ચોકી કરવાનો બુરજ બાંધ્યો. પછી એ દ્રાક્ષવાડી ખેડૂતોને ભાગે આપીને તે પરદેશ મુસાફરીએ ગયો. દ્રાક્ષની મોસમ આવી, ત્યારે ફસલનો પોતાનો ભાગ લેવા માટે તેણે પોતાના એક નોકરને ખેડૂતો પાસે મોકલ્યો. ખેડૂતોએ નોકરને પકડયો, તેને માર માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો. પછી માલિકે બીજા નોકરને મોકલ્યો, અને ખેડૂતોએ તેનું માથું ફોડી નાખ્યું, અને તેની સાથે ખૂબ શરમજનક વર્તન કર્યું. માલિકે બીજા એક નોકરને મોકલ્યો, અને તેમણે તેનું ખૂન કર્યું. તેમણે બીજા સાથે એવું જ વર્તન દાખવ્યું; કેટલાકને માર્યા, તો કેટલાકનું ખૂન કર્યું. છેલ્લે, માલિકે પોતાનો પ્રિય પુત્ર જ મોકલવાનો બાકી રહ્યો. આખરે, માલિકે પુત્રને મોકલ્યો. તેણે કહ્યું, ‘તેઓ મારા પુત્રનું તો માન રાખશે.’ પણ પેલા ખેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ તો વારસદાર છે, ચાલો, આપણે તેને મારી નાખીએ, જેથી તેનો વારસો આપણને મળે.’ તેથી તેમણે પુત્રને પકડીને તેનું ખૂન કર્યું, અને તેનું શબ દ્રાક્ષવાડીની બહાર ફેંકી દીધું.” ઈસુએ પૂછયું, “તો હવે દ્રાક્ષવાડીનો માલિક શું કરશે? તે આવીને એ માણસોને મારી નાખશે અને દ્રાક્ષવાડી બીજા ખેડૂતોને સોંપશે. તમે આ શાસ્ત્રભાગ તો વાંચ્યો જ હશે: ‘મકાન બાંધનારાઓએ જે પથ્થરને નકામો ગણીને ફેંકી દીધો હતો, તે જ આધારશિલા બન્યો છે. એ તો પ્રભુએ કર્યું છે; આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્‍ભુત છે!” યહૂદી આગેવાનોએ ઈસુની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો; કારણ, તેમને ખબર પડી ગઈ કે તેમણે તેમની વિરુદ્ધ જ એ ઉદાહરણ કહ્યું હતું. છતાં લોકોથી ડરતા હોવાને લીધે તેઓ તેમને મૂકીને જતા રહ્યા. પછી તેમણે કેટલાક ફરોશીઓ અને હેરોદના પક્ષના સભ્યોને ઈસુને પ્રશ્ર્નો પૂછી ફસાવવા મોકલ્યા. તેમણે તેમની પાસે આવીને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે લોકો તમારે વિષે શું ધારશે તેની પરવા કર્યા વિના તમે સત્ય જ બોલો છો. તમે માણસના દરજ્જાને ગણકાર્યા વિના તેને માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો. તો અમને કહો કે પરદેશી રોમન સમ્રાટને કરવેરા ભરવા તે નિયમશાસ્ત્ર પ્રમાણે ઉચિત છે કે નહિ? આપણે કરવેરા ભરવા જોઈએ કે નહિ?” પણ ઈસુ તેમની ચાલાકી સમજી ગયા, એટલે તેમણે જવાબ આપ્યો, “તમે મને ફસાવવા માગો છો? ચાંદીનો એક સિક્કો લાવો, અને મને તે જોવા દો.” તેઓ તેમની પાસે એક સિક્કો લાવ્યા. એટલે તેમણે પૂછયું, “આમાં કોની છાપ અને કોનું નામ છે?” તેમણે જવાબ આપ્યો, “પરદેશી રોમન સમ્રાટનાં.” તેથી ઈસુએ કહ્યું, “જે રોમન સમ્રાટનું છે, તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે, તે ઈશ્વરને ભરી દો.” એ સાંભળીને તેઓ આભા જ બની ગયા. લોકો મરણમાંથી સજીવન થવાના નથી એવું માનનારા સાદૂકીઓ ઈસુ પાસે આવ્યા. તેમણે કહ્યું, “ગુરુજી, મોશેએ આપણે માટે આવો નિયમ લખેલો છે: ‘જો કોઈ માણસ નિ:સંતાન ગુજરી જાય, તો તે માણસના ભાઈએ મરનારની વિધવા સાથે લગ્ન કરવું; જેથી મરી ગયેલા માણસનો વંશવેલો ચાલુ રહે.’ હવે સાત ભાઈઓ હતા. સૌથી મોટા ભાઈનું લગ્ન થયું, પણ તે નિ:સંતાન મરી ગયો. પછી બીજા ભાઈએ પેલી સ્ત્રી સાથે લગ્ન કર્યું, અને તે નિ:સંતાન મરી ગયો. ત્રીજાના સંબંધમાં પણ એવું જ થયું. અને બાકીના બધાના સંબંધમાં એમ જ બન્યું. પેલી સ્ત્રી સાતેય ભાઈઓની પત્ની બની અને તેઓ બધા નિ:સંતાન મરી ગયા. છેલ્લે એ સ્ત્રી પણ મરી ગઈ. હવે, પુનરુત્થાનને દિવસે જ્યારે બધાં મરેલાં સજીવન થશે, ત્યારે તે કોની પત્ની ગણાશે? કારણ કે, તે સાતેય ભાઈઓની પત્ની બની હતી!” ઈસુએ તેમને જવાબ આપ્યો, “તમે કેવી ભૂલ કરો છો! શા માટે ભૂલ કરો છો તે જાણો છો? એટલા જ માટે કે ધર્મશાસ્ત્ર તથા ઈશ્વરનું સામર્થ્ય તમે જાણતા નથી. જ્યારે મરેલાં સજીવન થશે, ત્યારે તેઓ આકાશમાંના દૂતો જેવાં હશે; તેમને માટે પરણવા-પરણાવવાનું નહિ હોય. હવે મરેલાંને સજીવન કરવા સંબંધી તો મોશેના પુસ્તકમાં બળતા ઝાડવા અંગેનો બનાવ તમે નથી વાંચ્યો? ત્યાં લખેલું છે: ‘ઈશ્વર મોશેને કહે છે, હું અબ્રાહામનો ઈશ્વર છું, ઇસ્હાકનો ઈશ્વર છું, અને યાકોબનો ઈશ્વર છું.’ એનો અર્થ એ થયો કે જેમને તમે મરેલાં ગણો છો, તે તો ખરેખર જીવંત છે, અને તે તેમના ઈશ્વર છે. તમે મોટી ભૂલ કરો છો!” નિયમશાસ્ત્રનો એક શિક્ષક એ ચર્ચા સાંભળતો હતો. તેણે જોયું કે ઈસુએ સાદુકીઓને યોગ્ય જવાબ આપ્યો, તેથી તે તેમની પાસે બીજો એક પ્રશ્ર્ન લઈ આવ્યો, “બધી આજ્ઞાઓમાં સૌથી અગત્યની કઈ?” ઈસુએ કહ્યું, “સૌથી વધુ અગત્યની આજ્ઞા આ છે: ‘હે ઇઝરાયલ, સાંભળ! પ્રભુ આપણા ઈશ્વર એકમાત્ર પ્રભુ છે. તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા દયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારા પૂરા સામર્થ્યથી, એટલે કે તારા પૂરા વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’ બીજી સૌથી અગત્યની આજ્ઞા આ છે: ‘જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.’ આ બે આજ્ઞાઓ કરતાં વિશેષ અગત્યની બીજી કોઈ આજ્ઞા નથી.” નિયમશાસ્ત્રના શિક્ષકે ઈસુને કહ્યું, “વાહ, ગુરુજી, તમે કહો છો એ સાચું છે કે, એકમાત્ર પ્રભુ જ ઈશ્વર છે અને તેમના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. માણસે ઈશ્વર પર પોતાના પૂરા દયથી, પૂરા મનથી અને પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ; તેમ જ જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખવો. યજ્ઞવેદી પર પ્રાણીઓ અને બીજાં અર્પણો ચઢાવવા કરતાં આ બે આજ્ઞાઓને આધીન થવું વધારે મહત્ત્વનું છે.” ઈસુએ જોયું કે તેણે સમજણપૂર્વક જવાબ આપ્યો છે તેથી તેમણે તેને કહ્યું, “તું ઈશ્વરના રાજથી દૂર નથી.” એ પછી કોઈએ ઈસુને વધારે પ્રશ્ર્નો પૂછવાની હિંમત કરી નહિ. મંદિરમાં બોધ કરતી વખતે ઈસુએ પ્રશ્ર્ન પૂછયો, “મસીહ દાવિદનો પુત્ર હશે એવું નિયમશાસ્ત્રના શિક્ષકો કેમ શીખવે છે? કારણ, પવિત્ર આત્માએ તો દાવિદને આવું કહેવાની પ્રેરણા કરી; ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું: તારા શત્રુઓને તારા પગ તળે મૂકું, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’ દાવિદ પોતે તેને પ્રભુ કહે છે; તો પછી મસીહ દાવિદનો પુત્ર કેવી રીતે હોઈ શકે?” વિશાળ જનસમુદાય ઈસુને રસપૂર્વક સાંભળતો હતો. તેમને શીખવતાં તેમણે કહ્યું, “લાંબો ઝભ્ભો પહેરીને ફરનારા નિયમશાસ્ત્રના શિક્ષકોથી સાવધ રહો. તેમને બજારમાં લોકોનાં વંદન ઝીલવાનું ગમે છે. તેઓ ભજનસ્થાનમાં મુખ્ય ખુરશીઓ અને મિજબાનીઓમાં ઉત્તમ જગ્યાઓ પસંદ કરે છે. તેઓ વિધવાઓની માલમિલક્ત લૂંટી લે છે, અને પાછા ઢોંગપૂર્વક લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેમને વધારેમાં વધારે સજા થશે.” ઈસુ મંદિરના ભંડારની સામે બેસીને ભંડારમાં પૈસા નાખતા લોકોને જોતા હતા. ધનવાન માણસો તેમાં ઘણા પૈસા નાખતા હતા. પછી એક ગરીબ વિધવા આવી અને તેણે તાંબાના બે નાના સિક્કા નાખ્યા. તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, “હું તમને સાચે જ કહું છું કે આ ગરીબ વિધવાએ ભંડારમાં બીજા બધાના કરતાં વધારેમાં વધારે નાખ્યું છે. કારણ, બીજાઓએ તો પોતાની સમૃદ્ધિમાંથી જે વધારાનું હતું તે નાખ્યું; પણ તેણે તો ગરીબ હોવા છતાં તેની પાસે જે કંઈ હતું તે બધું નાખ્યું, એટલે પોતાની સર્વ આજીવિકા નાખી છે!” ઈસુ મંદિરમાંથી નીકળતા હતા, ત્યારે તેમના એક શિષ્યે કહ્યું, “ગુરુજી, જુઓ તો ખરા, કેવા સુંદર પથ્થરો અને કેવાં ભવ્ય મકાનો!” ઈસુએ જવાબ આપ્યો, “શું તું આ મોટાં બાંધક્મ જુએ છે? એમનો એક પણ પથ્થર એની જગ્યાએ રહેવા દેવાશે નહિ; તેમાંનો એકેએક તોડી પાડવામાં આવશે.” ઈસુ મંદિરની સામે ઓલિવ પર્વત પર બેઠા હતા ત્યારે પિતર, યાકોબ, યોહાન અને આંદ્રિયા તેમની પાસે આવ્યા અને તેમણે ખાનગીમાં પૂછયું, “આ બધું, કયારે થશે? આ બધા બનાવો બનવાનો સમય આવી પહોંચ્યો છે એ દર્શાવવા માટે શું ચિહ્ન થશે તે અમને કહો.” ઈસુએ તેમને કહ્યું, “સાવધ રહો, કોઈ તમને છેતરી ન જાય. ‘હું તે જ છું,’ એમ કહેતા ઘણા મારે નામે આવશે અને ઘણાને છેતરી જશે. તમે નજીક ચાલતા યુદ્ધનો કોલાહલ અને દૂર ચાલતા યુદ્ધના સમાચાર સાંભળો ત્યારે નાસીપાસ થશો નહિ. આ બધા બનાવો બનવાની જરૂર છે; પણ એનો અર્થ એ નથી કે અંત આવી ગયો છે. પ્રજાઓ અંદરોઅંદર લડશે, રાજ્યો એકબીજા પર હુમલો કરશે. ઠેરઠેર ધરતીકંપો થશે અને દુકાળો પડશે. આ બધા બનાવો તો પ્રસવ પહેલાં થતી વેદના જેવા છે. “તમે પોતે સાવધ રહેજો. તમારી ધરપકડ કરીને તમને કોર્ટમાં લઈ જવામાં આવશે. ભજનસ્થાનોમાં તમને કોરડા ફટકારશે. મારે લીધે રાજ્યપાલો અને રાજાઓને શુભસંદેશ સંભળાવવા તમે તેમની સમક્ષ ઊભા રહેશો. પણ અંત આવે તે પહેલાં પ્રથમ બધી પ્રજાઓમાં શુભસંદેશનો પ્રચાર થવો જ જોઈએ. તેઓ તમારી ધરપકડ કરીને તમને કોર્ટમાં લઈ જાય, ત્યારે તમે શું બોલશો એ અંગે અગાઉથી ચિંતા ન કરો; સમય આવે ત્યારે તમને જે કંઈ આપવામાં આવે તે કહેજો. કારણ, તમે જે શબ્દો બોલશો, તે તમારા નહિ હોય, પણ પવિત્ર આત્મા તરફથી હશે. માણસો પોતાના જ ભાઈઓને મારી નંખાવા સોંપશે, અને પિતાઓ પણ પોતાનાં સંતાનોને તેવું જ કરશે; સંતાનો તેમનાં માબાપની વિરુદ્ધ થઈ તેમને મારી નંખાવશે. મારે લીધે સૌ કોઈ તમારો તિરસ્કાર કરશે. પણ જે અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે. “અતિ ઘૃણાસ્પદ વિનાશકને (વાચકે તેનો અર્થ સમજી લેવો) તેને માટે ઘટારત નથી એ સ્થાનમાં ઊભેલો જુઓ, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેમણે ડુંગરોમાં નાસી જવું. જે પોતાના ઘરના ધાબા પર હોય, તેણે પોતાની સાથે કંઈપણ લઈ જવા નીચે ઘરમાં ન ઊતરવું. જે ખેતરમાં હોય, તેણે પોતાનો ઝભ્ભો લેવા ઘેર પાછા ન જવું. ગર્ભવતી સ્ત્રીઓ અને જેમને ધાવણાં બાળકો હોય તેવી માતાઓની એ દિવસોમાં કેવી દુર્દશા થશે! ઈશ્વરને પ્રાર્થના કરો કે આ નાસભાગ શિયાળામાં ન થાય! કારણ, સૃષ્ટિના પ્રારંભથી આજ સુધી કદી ન પડી હોય એવી વિપત્તિના એ દિવસો હશે. વળી, એના જેવી વિપત્તિ ફરી થશે પણ નહિ. પ્રભુએ એવા દિવસોની સંખ્યા ઘટાડી છે. જો તેમણે એમ ન કર્યું હોત, તો કોઈ પણ બચી શક્ત નહિ. પણ પોતાના પસંદ કરેલા લોકોને ખાતર તેમણે એ દિવસોની સંખ્યા ઘટાડી છે. “ત્યારે કોઈ તમને કહે, ‘જુઓ, મસીહ અહીં છે!’ અથવા ‘જુઓ, તે ત્યાં છે!’ તો તમે તેનું માનતા નહિ. કારણ, જુઠ્ઠા મસીહો અને જુઠ્ઠા સંદેશવાહકો પ્રગટ થશે. બની શકે તો ઈશ્વરના પસંદ કરેલા લોકોને છેતરવા માટે તેઓ ચિહ્નો અને અદ્‍ભુત કામો કરશે. સાવધ રહો! મેં તમને અગાઉથી બધી હકીક્ત કહી છે. “વિપત્તિના એ દિવસો પછી સૂર્ય અંધકારમય બની જશે, ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ, આકાશમાંથી તારાઓ ખરશે, અને આકાશનાં નક્ષત્રો તેમના માર્ગમાંથી હટાવાશે. પછી માનવપુત્ર મોટા પરાક્રમ અને મહિમા સહિત વાદળામાં આવતા દેખાશે. તે દૂતોને પૃથ્વીની ચારે બાજુએ મોકલી દેશે, અને ક્ષિતિજના એક છેડાથી બીજા છેડા સુધી, ઈશ્વરના પસંદ કરેલા લોકોને તેઓ એકઠા કરશે. “અંજીરી પરથી બોધપાઠ શીખો. જ્યારે તેની ડાળીઓ લીલી અને કુમળી થાય છે, અને એને પાંદડાં ફૂટે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે આવ્યો છે. એ જ પ્રમાણે તમે આ બધા બનાવો બનતા જુઓ, ત્યારે જાણજો કે તે પાસે જ, એટલે બારણા આગળ છે. હું તમને સાચે જ કહું છું: પ્રવર્તમાન પેઢી જતી રહે તે પહેલાં આ બધા બનાવો બનશે. આકાશ તથા પૃથ્વી જતાં રહેશે, પણ મારાં કથનો કદી નિષ્ફળ જશે નહિ. “છતાં એ દિવસ કે સમય ક્યારે આવશે તે કોઈ જાણતું નથી. આકાશમાંના દૂતો નહિ કે ઈશ્વરપુત્ર પણ નહિ; માત્ર ઈશ્વરપિતા જાણે છે. સાવધ અને જાગૃત રહેજો. કારણ, એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. એ તો આના જેવું છે: એક માણસ પોતાના ઘેરથી મુસાફરીએ જાય, ત્યારે નોકરોને વહીવટ સોંપી જાય છે. દરેકને પોતપોતાનું ક્મ સોંપીને જાય છે, અને ચોકીદારને જાગતા રહેવાનું કહીને જાય છે. તેથી તમે જાગતા રહેજો; કારણ, ઘરનો માલિક ક્યારે આવશે તેની તમને ખબર નથી- સાંજે આવે કે મધરાતે આવે, કૂકડો બોલતાં આવે કે સવારે આવે. જો તે અચાનક આવે, તો તમે ઊંઘતા ઝડપાઈ જવા ન જોઈએ. હું તમને જે કહું છું તે બધાને કહું છું: જાગૃત રહેજો.” બે દિવસ પછી પાસ્ખા અને ખમીર વગરની રોટલીનું પર્વ હતું. મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો છળકપટથી ઈસુની ધરપકડ કરવાનો અને તેમને મારી નાખવાનો લાગ શોધતા હતા. તેમણે કહ્યું, “આપણે પર્વ દરમિયાન એ કરવું નથી, કદાચ લોકોનું દંગલ થાય.” ઈસુ બેથાનિયામાં સિમોન કોઢીના ઘરમાં હતા. તે જમવા બેઠા હતા તેવામાં એક સ્ત્રી આરસપાણની શીશીમાં જટામાંસીનું ખૂબ કીમતી અસલ અત્તર લઈને આવી. તેણે શીશી ભાંગીને અત્તર ઈસુના માથા પર રેડયું. કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, “શા માટે આ અત્તરનો બગાડ? એના ત્રણસો કરતાં પણ વધારે રૂપિયા ઊપજ્યા હોત, અને એ ગરીબોને આપી શક્યા હોત!” તેમણે તેની આકરી ટીકા કરી. પણ ઈસુએ તેમને કહ્યું, “તેને કરવું હોય તેમ કરવા દો. તેને હેરાન શા માટે કરો છો? તેણે મારે માટે ઉમદા ક્મ કર્યું છે. ગરીબો તો હંમેશાં તમારી સાથે છે જ. તમે ચાહો ત્યારે તેમને મદદ કરી શકો છો. પણ હું હંમેશાં તમારી સાથે નથી. તેણે તેનાથી બની શકે તે કર્યું છે; તેણે મારા શરીરને અગાઉથી અત્તર રેડીને દફનને માટે તૈયાર કર્યું છે. હું તમને સાચે જ કહું છું: આખી દુનિયામાં જ્યાં જ્યાં શુભસંદેશનો પ્રચાર કરાશે, ત્યાં ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે તે તેની યાદગીરી માટે કહેવામાં આવશે.” પછી બાર શિષ્યોમાંનો યહૂદા ઈશ્કારિયોત ઈસુને મુખ્ય યજ્ઞકારોના હાથમાં સોંપી દેવાના ઇરાદાથી તેમની પાસે ગયો. તેઓ તેનું સાંભળીને રાજીરાજી થઈ ગયા, અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તેથી યહૂદા ઈસુને પકડાવી દેવાનો લાગ શોધવા લાગ્યો. ખમીર વગરની રોટલીના પર્વને પહેલે દિવસે, એટલે કે પાસ્ખાભોજન માટે યજ્ઞપશુ અર્પણ કરવાને દિવસે ઈસુના શિષ્યોએ તેમને પૂછયું, “અમે તમારે માટે પાસ્ખાભોજનની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?” ત્યારે ઈસુએ તેઓમાંના બેને આવી સૂચના આપી મોકલ્યા: “શહેરમાં જાઓ, અને પાણીની ગાગર લઈને જતો એક માણસ તમને મળશે. જે ઘરમાં તે જાય ત્યાં તમે તેની પાછળ પાછળ જજો, અને તે ઘરના માલિકને કહેજો, ‘ગુરુજી પુછાવે છે કે, મારા શિષ્યો સાથે પાસ્ખાભોજન લેવા માટે ઉતારો કરવાનો ઓરડો ક્યાં છે?’ પછી તે તમને ઉપલે માળે સજાવેલો એક મોટો ઓરડો બતાવશે. ત્યાં તમે આપણે માટે તૈયારી કરજો.” શિષ્યો ચાલી નીકળ્યા અને શહેરમાં આવ્યા તો ઈસુએ તેમને કહ્યું હતું તે જ પ્રમાણે તેમને મળ્યું; અને તેમણે ત્યાં પાસ્ખાનું ભોજન તૈયાર કર્યું. સાંજ પડી ત્યારે ઈસુ બાર શિષ્યોની સાથે ત્યાં આવી પહોંચ્યા. તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ જણાવ્યું, “હું તમને સાચે જ કહું છું: તમારામાંનો એક, જે મારી સાથે જમે છે તે, મને બીજાના હાથમાં પકડાવી દેશે.” શિષ્યો ગમગીન થઈ ગયા, અને તેમને એક પછી એક પૂછવા લાગ્યા, “એ હું તો નથી ને?” ઈસુએ જવાબ આપ્યો, “એ તો તમારા બારમાંનો એક, જે મારી થાળીમાં રોટલી બોળીને ખાય છે તે જ તે છે. ધર્મશાસ્ત્ર કહે છે તેમ માનવપુત્ર મરણ પામશે, પણ માનવપુત્રને બીજાના હાથમાં પકડાવી દેનારને ધિક્કાર છે! એ માણસ જન્મ્યો જ ન હોત તો એને માટે સારું થાત!” તેઓ જમતા હતા ત્યારે ઈસુએ રોટલી લીધી, ઈશ્વરની સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપીને કહ્યું, “લો, આ મારું શરીર છે.” પછી તેમણે પ્યાલો લીધો, ઈશ્વરની સ્તુતિ કરીને તેમને આપ્યો; અને તેમણે બધાએ એમાંથી પીધું. ઈસુએ કહ્યું, “ઈશ્વરના કરારને મંજૂર કરનારું આ મારું રક્ત છે. તે ઘણાને માટે વહેવડાવવામાં આવે છે. હું તમને સાચે જ કહું છું: ઈશ્વરના રાજમાં નવો દ્રાક્ષારસ ન પીઉં ત્યાં સુધી હું કદી દ્રાક્ષારસ પીવાનો નથી.” પછી તેમણે ગીત ગાયું અને બહાર નીકળીને તેઓ ઓલિવ પર્વત તરફ ગયા. ઈસુએ તેમને કહ્યું, “તમારા બધાનો મારા પરનો વિશ્વાસ ડગી જશે; કારણ, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે, ‘હું ઘેટાંપાળકને મારી નાખીશ એટલે બધાં ઘેટાં વિખેરાઈ જશે.’ પણ સજીવન કરાયા પછી હું તમારી પહેલાં ગાલીલમાં જઈશ.” પિતરે જવાબ આપ્યો, “બીજા બધાનો વિશ્વાસ કદાચ ડગી જાય, પણ મારો વિશ્વાસ તો નહિ જ ડગે.” ઈસુએ પિતરને કહ્યું, “હું તને સાચે જ કહું છું: આજ રાત્રે કૂકડો બે વાર બોલે તે પહેલાં તું ત્રણ વાર કહેશે કે તું મને ઓળખતો નથી.” પિતરે બહુ ભારપૂર્વક જવાબ આપ્યો, “મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમને ઓળખતો નથી એવું કદી નહિ કહું.” બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું. તેઓ ગેથસેમાને નામની વાડીમાં આવ્યા ત્યારે ઈસુ પોતાના શિષ્યોને કહે છે, “હું પ્રાર્થના કરીને આવું ત્યાં સુધી તમે અહીં બેસો.” પછી તેમણે પિતર, યાકોબ અને યોહાનને પોતાની સાથે લીધા. તે બહુ જ દુ:ખી અને શોક્તુર થવા લાગ્યા, અને તેમણે તેમને કહ્યું, “હું આત્મામાં ભારે વેદના અનુભવી રહ્યો છું; જાણે મારું મોત નજીક આવી પહોંચ્યું ન હોય! અહીં થોભો અને જાગતા રહો.” તે થોડેક દૂર ગયા, અને જમીન પર ઊંધે મુખે ઢળીને પ્રાર્થના કરી કે શકાય હોય તો તેમના પર એ દુ:ખની ઘડી આવે નહિ, તેમણે કહ્યું, “આબ્બા, પિતા, તમારે માટે બધું શકાય છે. આ પ્યાલો મારી આગળથી દૂર કરો. છતાં મારી નહિ, પણ તમારી ઇચ્છા પૂરી થાઓ.” પછી તે પાછા ફર્યા અને ત્રણ શિષ્યોને ઊંઘતા જોઈને પિતરને કહ્યું, “સિમોન, ઊંઘે છે? તું એક ઘડી પણ જાગતો રહી શક્યો નહિ?” અને તેમણે તેમને કહ્યું, “જાગતા રહો અને પ્રાર્થના કરો, જેથી તમે પ્રલોભનમાં ફસાઓ નહિ. આત્મા તત્પર છે, પણ દેહ નિર્બળ છે.” તેમણે ફરીથી જઈને એના એ જ શબ્દોમાં પ્રાર્થના કરી. પછી તેમણે પાછા આવીને શિષ્યોને ઊંઘતા જોયા. કારણ, શિષ્યોની આંખો ઊંઘથી ઘેરાઈ ગઈ હતી અને ઈસુને શો જવાબ આપવો તે તેમને સૂઝયું નહિ. જ્યારે તે ત્રીજી વાર પાછા આવ્યા ત્યારે તેમણે તેમને કહ્યું, “શું તમે હજુયે ઊંઘો છો અને આરામ કરો છો? બસ, બહુ થયું. સમય આવી ચૂક્યો છે! જુઓ, માનવપુત્રને પાપીઓના હાથમાં સોંપી દેવામાં આવે છે. ઊઠો, આપણે જઈએ. જુઓ, મને પકડાવી દેનાર આવી પહોંચ્યો છે!” હજુ તો ઈસુ બોલતા હતા એટલામાં જ બાર શિષ્યોમાંનો એક એટલે યહૂદા આવી પહોંચ્યો. તેની સાથે મુખ્ય યજ્ઞકારો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને આગેવાનોએ મોકલેલા, તલવાર અને લાઠીઓ લઈને આવેલા માણસોનું ટોળું હતું. દગાખોરે ટોળાને નિશાની આપી હતી: “જે માણસને હું ચુંબન કરું તે જ તે માણસ હશે. તેને પકડી લેજો અને ચોક્સાઈથી લઈ જજો.” યહૂદા આવતાંની સાથે જ ઈસુ પાસે ગયો અને કહ્યું, “ગુરુજી!” અને પછી તેમને ચુંબન કર્યું. તેથી તેમણે ઈસુને પકડી લીધા. પણ પાસે ઊભેલાઓમાંના એકે પોતાની તલવાર તાણીને મુખ્ય યજ્ઞકારના નોકર પર ઘા કર્યો અને તેનો કાન કાપી નાખ્યો. ત્યારે ઈસુ બોલી ઊઠયા, “હું જાણે કે બળવાખોર હોઉં તેમ તમે મને તલવાર અને લાઠીઓ લઈ પકડવા આવ્યા છો? દિનપ્રતિદિન મંદિરમાં હું તમને બોધ આપતો હતો, પણ તમે મને પકડયો નહીં, પણ ધર્મશાસ્ત્રમાં જે લખેલું છે તે પરિપૂર્ણ થાય માટે આ બધું બન્યું.” પછી બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા. એક જુવાન પોતાના ઉઘાડા શરીરે અળસીરેસાની ચાદર ઓઢીને ઈસુની પાછળ પાછળ ચાલતો હતો. તેમણે તેને પકડવા પ્રયત્ન કર્યો, પણ તે ચાદર પડતી મૂકીને ઉઘાડા શરીરે નાસી ગયો. પછી તેઓ ઈસુને પ્રમુખ યજ્ઞકારને ઘેર લઈ ગયા, ત્યાં બધા મુખ્ય યજ્ઞકારો, આગેવાનો અને નિયમશાસ્ત્રના શિક્ષકો એકઠા થયા હતા. પિતર થોડે અંતરે રહી પાછળ ચાલતો હતો. અને તે પ્રમુખ યજ્ઞકારના ઘરના આંગણામાં પ્રવેશ્યો. ત્યાં તે સંરક્ષકો સાથે તાપણે તાપતો હતો. મુખ્ય યજ્ઞકારો અને આખી ન્યાયસભાએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધની સાક્ષી શોધવાનો પ્રયત્ન કર્યો, પણ તેમને કંઈ પુરાવો મળ્યો નહિ. ઘણા સાક્ષીઓએ ઈસુ વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી પૂરી, પણ તેમની જુબાની મળતી આવતી ન હતી. પછી કેટલાંક માણસોએ ઊભા થઈને ઈસુની વિરુદ્ધ આવી જુઠ્ઠી જુબાની આપી: “અમે એને એવું કહેતાં સાંભળ્યો કે, ‘માણસોએ બનાવેલું આ મંદિર હું તોડી પાડીશ, અને ત્રણ દિવસમાં માણસોએ નહિ બનાવેલું એવું મંદિર હું બાંધીશ.” પણ તેમની જુબાની મળતી આવી નહિ. પ્રમુખ યજ્ઞકારે બધાની સમક્ષ ઊભા થઈને પૂછયું, “તારી વિરુદ્ધના આક્ષેપોનો તારી પાસે કોઈ બચાવ છે?” પણ ઈસુ ચૂપ રહ્યા અને એક પણ શબ્દ બોલ્યા નહિ. પ્રમુખ યજ્ઞકારે ફરીથી તેમને પ્રશ્ર્ન પૂછયો, “શું તું મસીહ, સ્તુત્ય ઈશ્વરનો પુત્ર છે?” ઈસુએ જવાબ આપ્યો, “હા, હું છું; અને તમે માનવપુત્રને સર્વસમર્થ ઈશ્વરની જમણી બાજુએ બિરાજેલો તથા આકાશનાં વાદળો સહિત આવતો જોશો!” પ્રમુખ યજ્ઞકારે પોતાનો ઝભ્ભો ફાડયો અને કહ્યું, “આપણે હવે બીજા કોઈ સાક્ષીઓની જરૂર નથી. તમે તેણે કરેલી ઈશ્વરનિંદા સાંભળી છે. તમારો શો અભિપ્રાય છે?” બધાએ તેમની વિરુદ્ધ અભિપ્રાય આપ્યો: “તે દોષિત છે, અને તેને મારી નાખવો જોઈએ.” કેટલાક ઈસુ પર થૂંકવા લાગ્યા, અને તેમણે તેમનું મુખ ઢાંકીને માર માર્યો, અને પૂછયું, “તું સંદેશવાહક હોય તો શોધી કાઢ કે તને કોણે માર્યો?” સંરક્ષકો પણ તેમના પર તમાચા મારતાં તૂટી પડયા. પિતર હજુ આંગણામાં જ હતો, ત્યારે પ્રમુખ યજ્ઞકારની એક નોકરડી આવી. તેણે પિતરને તાપતો જોઈને તેની સામે નિહાળીને કહ્યું, “તું પણ નાઝારેથના ઈસુની સાથે હતો.” પણ તેણે તેની ના પાડી. તેણે જવાબ આપ્યો, “મને ખબર નથી. તું શું કહે છે તેની જ મને સમજ પડતી નથી.” એમ કહી તે બહાર દરવાજા આગળ ચાલ્યો ગયો; બસ, એ જ વખતે કૂકડો બોલ્યો. નોકરડીએ તેને ત્યાં જોયો અને પાસે ઊભેલાઓને તે એ જ વાત કહેવા લાગી, “તે તેમનામાંનો જ છે!” પણ પિતરે ફરીથી નકાર કર્યો. થોડીવાર પછી પાસે ઊભેલાઓએ ફરી પિતર પર આક્ષેપ મૂક્યો, “તું તેમનામાંનો નથી એવું કહી શકે જ નહિ; કારણ, તું પણ ગાલીલમાંનો છે!” પછી પિતર શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો: “જો હું સત્ય કહેતો ન હોઉં, તો ઈશ્વર મને શિક્ષા કરો! જે માણસ વિષે તમે વાત કરો છો તેને હું ઓળખતો જ નથી.” બરાબર એ જ સમયે કૂકડો બીજીવાર બોલ્યો, એટલે પિતરને ઈસુના કહેલા શબ્દો યાદ આવ્યા: “કૂકડો બે વાર બોલે તે પહેલાં તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.” પછી તે હૈયાફાટ રડી પડયો. વહેલી સવારે મુખ્ય યજ્ઞકારો, આગેવાનો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને ન્યાયસભાના બાકીના સભ્યો ઉતાવળે મળ્યા અને તેમની યોજના ઘડી કાઢી. તેઓ ઈસુને સાંકળે બાંધી લઈ ગયા અને તેમને પિલાતને સોંપી દીધા. પિલાતે તેમને પ્રશ્ર્ન કર્યો, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “તમે જ તે પ્રમાણે કહો છો.” મુખ્ય યજ્ઞકારોએ ઘણી બાબતો અંગે ઈસુની સામે આરોપ મૂક્યા. તેથી પિલાતે ફરીથી તેમને પ્રશ્ર્ન પૂછયો, “શું તું કંઈ જવાબ દેતો નથી? તેઓ તારા પર કેટલા બધા આરોપ મૂકે છે!” ઈસુએ બચાવમા કંઈ કહ્યું નહિ, અને તેથી પિલાતને આશ્ર્વર્ય થયું. પ્રત્યેક પાસ્ખા પર્વ વખતે લોકો જેની માગણી કરે તેવા એક કેદીને પિલાત મુક્ત કરતો. તે સમયે બળવા દરમિયાન ખૂની બળવાખોરો સાથે બારાબાસ નામનો એક માણસ જેલમાં હતો. લોકોનું ટોળું ભેગું થઈ આવ્યું અને વર્ષના આ સમયે તેમને માટે તે જે કરતો હતો તે કરવા માગણી કરી. ત્યારે તેણે પૂછયું, “તમારે માટે યહૂદીઓના રાજાને છોડી મૂકું એમ તમે ઇચ્છો છો?” તેને બરાબર ખબર હતી કે મુખ્ય યજ્ઞકારોએ તેમની અદેખાઈને લીધે જ ઈસુને સોંપ્યા હતા. પણ મુખ્ય યજ્ઞકારોએ ઈસુને બદલે બારાબાસને છોડી મૂકવાની માગણી કરવા ટોળાને ઉશ્કેર્યું. પિલાતે ફરીથી ટોળાને કહ્યું, “તો પછી તમે જેને યહૂદીઓનો રાજા કહો છો તેને હું શું કરું?” તેમણે બૂમો પાડી, “તેને ક્રૂસે જડી દો.” પિલાતે પૂછયું, “પણ એણે શો ગુનો કર્યો છે?” પરંતુ તેમણે વધારે બૂમ પાડી, “તેને ક્રૂસે જડી દો.” પિલાત લોકોના ટોળાને ખુશ કરવા માગતો હતો, તેથી તેણે બારાબાસને છોડી મૂક્યો. પછી ઈસુને કોરડાનો સખત માર મરાવ્યો, અને તેમને ક્રૂસે જડવા સોંપણી કરી. સૈનિકો ઈસુને રાજ્યપાલના મહેલના ચોકમાં લઈ ગયા અને ટુકડીના બાકીનાઓને પણ બોલાવ્યા. તેમણે ઈસુને જાંબલી રંગનો ઝભ્ભો પહેરાવ્યો, કાંટાળી ડાળીઓનો મુગટ ગૂંથીને તેમને માથે મૂક્યો. પછી તેમણે તેમને સલામ કરી; અને મશ્કરીમાં કહ્યું, “યહૂદીઓના રાજા, અમર રહો!” તેમણે તેમના માથા પર સોટી ફટકારી, તેમના પર થૂંક્યા અને ધૂંટણે પડી તેમને નમન કર્યું. તેઓ તેમની મશ્કરી કરી રહ્યા પછી તેમણે જાંબલી ઝભ્ભો ઉતારી લઈ તેમનાં પોતાનાં કપડાં પાછાં પહેરાવ્યાં. પછી તેઓ તેમને ક્રૂસે જડવા માટે બહાર લઈ ગયા. રસ્તે જતાં જતાં ગામડેથી શહેરમાં આવતો સિમોન નામનો એક માણસ તેમને મળ્યો, અને તેમણે તેની પાસે ઈસુનો ક્રૂસ બળજબરીથી ઊંચકાવ્યો. (આ સિમોન તો કુરેનીનો વતની હતો અને એલેકઝાંડર તથા રૂફસનો પિતા હતો). તેઓ ઈસુને ‘ગલગથા’ અર્થાત્ ‘ખોપરીની જગા’એ લાવ્યા. ત્યાં તેમણે તેમને બોળમિશ્રિત દારૂ પીવા આપ્યો. પણ ઈસુએ તે પીવાનો ઇનકાર કર્યો. તેથી તેમણે તેમને ક્રૂસે જડયા અને કોને ભાગે શું આવે તે માટે ચિઠ્ઠી નાખીને તેમનાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં. તેમણે તેમને ક્રૂસે જડયા ત્યારે સવારના નવ વાગ્યા હતા. “યહૂદીઓનો રાજા” એવો તેમના વિરુદ્ધનો આરોપ ક્રૂસ પર લખેલો હતો. તેમણે ઈસુની સાથે બે લૂંટારાઓને પણ ક્રૂસે જડયા. એકને તેમની જમણી તરફ અને બીજાને તેમની ડાબી તરફ. તેમની ગણના ગુનેગારોમાં થઈ એવું શાસ્ત્રવચન આ રીતે પૂર્ણ થયું. ત્યાં થઈને પસાર થનારાઓ પોતાના માથાં હલાવી ઈસુને મહેણાં મારવા લાગ્યા, “અહો, તું તો મંદિરને પાડી નાખીને તેને ત્રણ દિવસમાં ફરી બાંધવાનું કહેતો હતો ને! હવે ક્રૂસ પરથી ઊતરી આવ અને પોતાને બચાવ!” મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ પણ એ જ પ્રમાણે ઈસુની મશ્કરી કરતાં એકબીજાને કહ્યું, “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શક્તો નથી! ઇઝરાયલના રાજા મસીહને આપણે અત્યારે ક્રૂસ પરથી ઊતરી આવતો જોઈએ, એટલે આપણે તેના પર વિશ્વાસ કરીશું!” તેમની સાથે ક્રૂસે જડવામાં આવેલા લૂંટારાઓએ પણ તેમની નિંદા કરી. આશરે બાર વાગે આખા દેશ પર અંધકાર છવાઈ ગયો, અને તે લગભગ ત્રણ કલાક સુધી રહ્યો. ત્રણ વાગે ઈસુએ મોટી બૂમ પાડી, “એલોઈ, એલોઈ, લામા સાબાખ્થાની?” અર્થાત્ “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તરછોડી દીધો છે?” ત્યાં ઊભેલા કેટલાક લોકોએ કહ્યું, “સાંભળો, સાંભળો, તે એલિયાને બોલાવે છે!” એક જણ વાદળી લઈ દોડયો ને તેને સરક્માં બોળીને લાકડીને એક છેડે ચોંટાડીને ઈસુને ચૂસવા આપીને કહ્યું, “જોઈએ તો ખરા, એલિયા તેને ક્રૂસ પરથી ઉતારવા આવે છે કે નહિ.” પછી ઈસુએ મોટી બૂમ પાડી અને પ્રાણ છોડયો. મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ચીરાઈ ગયો. ઈસુએ કેવી રીતે બૂમ પાડીને પ્રાણ છોડયો તે જોઈને ક્રૂસની પાસે ઊભેલા સૂબેદારે કહ્યું, “ખરેખર, તે ઈશ્વરપુત્ર હતા!” કેટલીક સ્ત્રીઓ દૂરથી જોયા કરતી ત્યાં ઊભી હતી. તેમાં માગદાલાની મિર્યામ, નાના યાકોબ અને યોસેની મા મિર્યામ અને શાલોમી હતાં. ઈસુ ગાલીલમાં હતા ત્યારથી તેઓ તેમને અનુસરતી હતી અને તેમની સેવા કરતી હતી. ઈસુની સાથે યરુશાલેમ આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી. સાંજ પડવા આવી ત્યારે આરીમથાઈનો યોસેફ આવ્યો. તે તો ન્યાયસભાનો માનવંત સભાસદ હતો, અને ઈશ્વરનું રાજ આવવાની રાહ જોતો હતો. એ તો તૈયારીનો દિવસ એટલે કે, વિશ્રામવારની અગાઉનો દિવસ હતો; તેથી યોસેફ હિંમત કરીને પિલાત પાસે ગયો અને તેણે તેની પાસે ઈસુનું શબ માગ્યું. ઈસુ મરણ પામ્યા છે એવું જાણીને પિલાતને આશ્ર્વર્ય થયું. તેણે સૂબેદારને બોલાવ્યો અને તેને પૂછયું કે શું ઈસુને મરણ પામ્યાને ઘણો સમય થઈ ગયો છે? સૂબેદારનો હેવાલ સાંભળ્યા પછી પિલાતે યોસેફને શબ લઈ જવા પરવાનગી આપી. યોસેફે અળસી રેસાનું કપડું ખરીદ્યું, શબ નીચે ઉતાર્યું અને તેને કપડામાં લપેટીને ખડકમાં કોરી કાઢેલી કબરમાં મૂકાયું. પછી તેણે કબરના પ્રવેશદ્વાર આગળ મોટો પથ્થર ગબડાવી મૂક્યો. માગદલાની મિર્યામ અને યોસેની મા મિર્યામ આ બધું નિહાળતાં હતાં, અને ઈસુને ક્યાં મૂક્યા તે તેમણે જોયું. વિશ્રામવાર પૂરો થયા પછી માગદાલાની મિર્યામ, યાકોબની મા મિર્યામ અને શાલોમી ઈસુના શબને લગાડવા માટે સુગંધી દ્રવ્યો ખરીદી લાવ્યાં. રવિવારની વહેલી સવારે સૂર્ય ઊગતાંમાં તેઓ કબરે ગયાં. રસ્તે તેઓ એકબીજાને પૂછવા લાગ્યાં, “કબરના પ્રવેશદ્વારનો પથ્થર આપણે માટે કોણ ખસેડશે?” એ તો બહુ મોટો પથ્થર હતો. પછી તેઓએ ધારીને જોયું તો પથ્થર ત્યાંથી ખસેડી દેવામાં આવ્યો હતો. તેથી તેઓ કબરમાં દાખલ થયાં. ત્યાં તેમણે સફેદ ઝભ્ભો પહેરેલા એક જુવાન માણસને જમણી તરફ બેઠેલો જોયો અને તેઓ ગભરાઈ ગયાં. તેણે કહ્યું, “ડરશો નહિ, હું જાણું છું કે ક્રૂસે જડવામાં આવેલા નાઝારેથના ઈસુને તમે શોધો છો. તે અહીં નથી. તેમને સજીવન કરવામાં આવ્યા છે! તેમણે તેમને જ્યાં મૂક્યા હતા તે જગ્યા જુઓ. હવે જાઓ, અને જઈને પિતર સહિત તેમના બીજા શિષ્યોને આ સંદેશો આપો: તે તમારી પહેલાં ગાલીલમાં જાય છે; તમને તેમણે કહ્યું હતું તેમ તમે તેમને ત્યાં જોશો.” પછી તેઓ ભય અને આશ્ર્વર્ય પામીને કબરમાંથી નીકળીને દોડી ગયાં. તેઓ ડરી ગયાં હોવાથી કોઈને કંઈ કહ્યું નહિ. મરણમાંથી સજીવન કરાયા પછી ઈસુએ રવિવારની વહેલી સવારે પ્રથમ માગદાલાની મિર્યામ, જેનામાંથી તેમણે સાત દુષ્ટાત્મા કાઢયા હતા, તેને દર્શન દીધું. તેણે જઈને પોતાના સાથી ભાઈઓને ખબર આપી. તેઓ શોક તથા રુદન કરતા હતા, અને તેથી ઈસુ સજીવન થયા છે અને તેણે તેમને જોયા છે એવું તેણે તેમને કહ્યું ત્યારે તેઓ તેનું માની શક્યા નહિ. ત્યાર પછી તેમનામાંના બે જણ ચાલતાં ચાલતાં ગામડે જતા હતા. તેમને ઈસુએ જુદી રીતે દર્શન દીધું. તેઓ પાછા વળ્યા અને બીજા શિષ્યોને તે કહી જણાવ્યું, પણ તેમના પર કોઈએ વિશ્વાસ કર્યો નહિ. એ પછી અગિયાર શિષ્યો જમતા હતા ત્યારે ઈસુએ તેમને દર્શન દીધું. તેમના અવિશ્વાસને લીધે તેમણે તેમને ઠપકો આપ્યો; કારણ, તેઓ એટલા જડ હતા કે જેમણે તેમને જીવતા થયેલા જોયા હતા તેમની પણ વાત માની નહિ. તેમણે તેમને કહ્યું, “આખી દુનિયામાં જાઓ, અને સમસ્ત માનવજાતને શુભસંદેશનો પ્રચાર કરો. જે વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લેશે તેનો ઉદ્ધાર થશે; જે વિશ્વાસ નહિ કરે, તે દોષિત ઠરશે. વિશ્વાસીઓને પરાક્રમી ચમત્કારો કરવાનું દાન અપાશે; તેઓ મારે નામે દુષ્ટાત્માઓને કાઢશે; તેઓ અજાણી ભાષાઓ બોલશે. જો તેઓ સાપ પકડી લે અથવા ઝેર પી જાય, તોપણ તેમને કંઈ ઈજા થશે નહિ; તેઓ બીમાર માણસો પર પોતાના હાથ મૂકશે, એટલે તેઓ સાજા થશે.” શિષ્યો સાથે વાત કરી રહ્યા પછી ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને તેઓ ઈશ્વરની જમણી તરફ બિરાજમાન થયા. શિષ્યોએ બધી જગ્યાએ જઈને ઉપદેશ કર્યો. પ્રભુ તેમની સાથે હતા અને ચમત્કારો મારફતે શુભસંદેશની સત્યતા પુરવાર કરતા હતા. માનનીય થિયોફિલ: આપણી મયે બનેલા બનાવોનું વૃત્તાંત તૈયાર કરવાનું ઘણાએ હાથમાં લીધું છે. તે કાર્ય તો શરૂઆતથી નજરે જોનાર સાક્ષીઓ અને ઈશ્વરીય સંદેશના સેવકોએ કહેલી અને પરંપરાગત વાતો પર આધારિત છે. મેં પણ થોડા સમયથી એ બનાવોનું ખૂબ જ ચોક્સાઈથી સંશોધન કર્યું છે. એટલે આપને માટે, આપ શીખ્યા છો એ બાબતો પ્રમાણભૂત હોવાની આપને ખાતરી થાય એટલા માટે, એનું વ્યવસ્થિત વૃત્તાંત લખવાનું મને યોગ્ય લાગ્યું છે. બાપ્તિસ્મા કરનાર યોહાનના જન્મની જાહેરાત *** *** *** હેરોદ યહૂદિયા પ્રદેશનો રાજા હતો તે વખતે ઝખાર્યા નામે એક યજ્ઞકાર હતો; તે યજ્ઞકારોના અબિયા નામના વર્ગમાંનો હતો. તેની પત્નીનું નામ એલીસાબેત હતું; તે પણ આરોનવંશની હતી. તેઓ બન્‍ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં. તેઓ નિ:સંતાન હતાં; કારણ, એલીસાબેત વંધ્યા હતી, અને તે તથા ઝખાર્યા બન્‍ને ઘણી મોટી ઉંમરનાં હતાં. એક દિવસ રોજિંદી સેવામાં પોતાના વર્ગના વારા પ્રમાણે ઝખાર્યા ઈશ્વર સમક્ષ યજ્ઞકાર તરીકેનું સેવાકાર્ય બજાવતો હતો. યજ્ઞકારોના રિવાજ પ્રમાણે વેદી પર ધૂપ બાળવા માટે ચિઠ્ઠી નાખતાં તેની પસંદગી કરવામાં આવી હતી. તેથી તે ઈશ્વરના મંદિરમાં ગયો. ધૂપ બાળવાના સમય દરમ્યાન જનસમુદાય બહાર પ્રાર્થના કરતો હતો. ત્યાં ધૂપવેદીની જમણી તરફ તેણે પ્રભુના એક દૂતને ઊભેલો જોયો. ઝખાર્યા તેને જોઈને ચોંકી ઊઠયો અને ગભરાઈ ગયો. પણ દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાઈશ નહિ, ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે, અને તારી પત્ની એલીસાબેતને પુત્ર થશે. તારે તેનું નામ યોહાન પાડવું. તને પુષ્કળ આનંદ તથા હર્ષ થશે. બીજા ઘણા લોકો પણ તેના જન્મથી આનંદ પામશે. ઈશ્વરની દૃષ્ટિમાં તે મહાન વ્યક્તિ બનશે. તે કોઈ પણ પ્રકારનો દ્રાક્ષાસવ કે જલદ પીણું પીશે નહિ. હજુ તો તે પોતાની માના ગર્ભમાં હશે, ત્યારથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર થશે. તે ઘણા ઇઝરાયલીઓને પ્રભુ તરફ પાછા ફેરવશે. તે સંદેશવાહક એલિયાના જેવા જુસ્સામાં અને સામર્થ્યમાં પ્રભુની આગળ જશે. તે પિતાઓનાં મન પુત્રો તરફ વાળશે, બંડખોરોને ઈશ્વરના માર્ગ તરફ વાળશે અને ઈશ્વરને માટે બધી રીતે લાયક એવી એક પ્રજાને તૈયાર કરશે.” ઝખાર્યાએ દૂતને પૂછયું, “એવું થશે એ હું શી રીતે જાણી શકું? હું વૃદ્ધ થયો છું, અને મારી પત્નીની ઉંમર પણ વધારે છે.” દૂતે જવાબ આપ્યો, “હું ગાબ્રીએલ છું. હું ઈશ્વરની સમક્ષ ઊભો રહું છું, અને તેમણે મને તારી સાથે વાત કરવા તેમજ આ ખુશખબર જણાવવા મોકલ્યો છે. મારો સંદેશો તો ઠરાવેલે સમયે સાચો પડશે, પણ તેં તે પર વિશ્વાસ કર્યો નથી, અને તેથી તું બોલી શકશે નહિ; મારો સંદેશ સાચો ઠરે તે દિવસ લગી તું મૂંગો રહેશે.” આ સમય દરમિયાન લોકો ઝખાર્યાની રાહ જોતા હતા, અને તે આટલો લાંબો સમય મંદિરમાં કેમ રોક્યો તેની તેમને નવાઈ લાગતી હતી. બહાર આવીને તે લોકોની સાથે કંઈ બોલી શક્યો નહિ; તેથી તેમને ખબર પડી કે તેને મંદિરમાં કંઈક દર્શન થયું છે. કારણ, તેણે પોતાના હાથથી તેમને ઈશારા કર્યા. મંદિરમાં તે સેવા કરવાના તેના દિવસો પૂરા થયા એટલે ઝખાર્યા પોતાને ઘેર પાછો ગયો. થોડા સમય પછી તેની પત્ની એલીસાબેત ગર્ભવતી થઈ, અને પાંચ માસ સુધી તે પોતાનું ઘર છોડી બહાર ગઈ નહિ. તેણે કહ્યું, “આખરે ઈશ્વરે મને મદદ કરી છે. તેમણે મારું વંધ્યા હોવાનું મહેણું ટાળ્યું છે!” એલીસાબેતને છઠ્ઠો મહિનો જતો હતો, ત્યારે ઈશ્વરે ગાલીલ પ્રાંતના નાઝારેથ નામે એક ગામમાં ગાબ્રીએલ દૂતને એક કુંવારી કન્યા પાસે સંદેશો લઈને મોકલ્યો. તે કન્યાની સગાઈ દાવિદ રાજાના વંશના યોસેફ નામના માણસ સાથે કરવામાં આવી હતી. તેનું નામ મિર્યામ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું, “તને શાંતિ હો! ઈશ્વર તારી સાથે છે. અને તેમણે તને ઘણી જ આશિષ આપી છે!” દૂતની વાત સાંભળીને મિર્યામ ઘણી ગભરાઈ ગઈ, અને વિચારવા લાગી કે આનો અર્થ શો! દૂતે તેને કહ્યું, “મિર્યામ, ગભરાઈશ નહિ; કારણ, ઈશ્વર તારા પ્રત્યે દયાળુ છે. તું ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે. તે મહાન થશે અને સર્વોચ્ચ ઈશ્વરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવિદની જેમ રાજા બનાવશે. અને તે યાકોબના વંશજોનો સાર્વકાલિક રાજા બનશે; તેના રાજ્યનો કદી પણ અંત આવશે નહિ!” મિર્યામે દૂતને કહ્યું, “હું તો કુંવારી છું, તો પછી એમ કેવી રીતે બને?” દૂતે જવાબ આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને સર્વોચ્ચ ઈશ્વરનું પરાક્રમ તારા પર ઊતરશે. આ જ કારણને લીધે એ પવિત્ર બાળક ઈશ્વરપુત્ર કહેવાશે. જો, તારી સગી એલીસાબેત, જે વંધ્યા અને વૃદ્ધ છે તેને પણ અત્યારે છઠ્ઠો મહિનો જાય છે. કારણ, ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!” મિર્યામે કહ્યું, “હું તો ઈશ્વરની સેવિકા છું, તમારા કહ્યા પ્રમાણે મને થાઓ.” પછી દૂત તેની પાસેથી જતો રહ્યો. થોડા સમય પછી મિર્યામ તૈયાર થઈને યહૂદિયાના પહાડી પ્રદેશના એક ગામમાં જવા ઉતાવળે ચાલી નીકળી. ઝખાર્યાના ઘરમાં પ્રવેશતાં જ તેણે એલીસાબેતને શુભેચ્છા પાઠવી. એલીસાબેતે મિર્યામની શુભેચ્છા સાંભળી કે તરત જ બાળક તેના પેટમાં કૂદયું. એલીસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટે સાદે કહ્યું, “સૌ સ્ત્રીઓમાં તને ધન્ય છે, અને જે બાળકને તું જન્મ આપશે તેને પણ ધન્ય છે. મારા પ્રભુની માતા મને મળવા આવે એ મારે માટે કેવી મહાન બાબત છે! કારણ, મેં શુભેચ્છા સાંભળી કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી કૂદ્યું. ઈશ્વર તરફથી તને મળેલો સંદેશો સાચો ઠરશે એવા તારા વિશ્વાસને લીધે તને ધન્ય છે!” મિર્યામે કહ્યું, “મારું હૃદય ઈશ્વરની પ્રશંસા કરે છે; ઈશ્વર મારા તારનારને લીધે મારો આત્મા આનંદ કરે છે. કારણ, તેમણે તેમની આ દીન સેવિકાને સંભારી છે! હવે બધી પેઢીના લોકો મને ધન્ય કહેશે, કારણ, પરાક્રમી ઈશ્વરે મારે માટે મહાન કાર્યો કર્યાં છે. તેમનું નામ પવિત્ર છે; જેઓ તેમની બીક રાખે છે તેમના પર તેઓ પેઢી દરપેઢી સુધી દયા દર્શાવે છે. પોતાનો સામર્થ્યવાન હાથ લંબાવીને તે ગર્વિષ્ઠોની યોજનાઓને છિન્‍નભિન્‍ન કરી નાખે છે. તેમણે પરાક્રમી રાજાઓને રાજ્યાસન પરથી ઉતારી પાડયા છે; અને જુલમપીડિતોને ઊંચા કર્યા છે. તેમણે ભૂખ્યાઓને સારાં વાનાંથી સભર કર્યા છે, અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢયા છે. આપણા પૂર્વજોને આપેલું વચન તેમણે પાળ્યું છે, અને પોતાના સેવક ઇઝરાયલની મદદે આવ્યા છે. અબ્રાહામ અને તેના વંશજો પ્રત્યે હંમેશા દયા દર્શાવવાનું તેમણે યાદ રાખ્યું છે!” મિર્યામ એલીસાબેત સાથે લગભગ ત્રણ મહિના રહી, અને પછી પોતાને ઘેર પાછી ફરી. એલીસાબેતનો પ્રસૂતિકાળ નજીક આવ્યો, અને તેને પુત્ર જન્મ્યો. તેનાં પડોશીઓ તથા સગાસંબંધીઓએ સાંભળ્યું કે ઈશ્વરે તેના પ્રત્યે મહાન દયા દર્શાવી છે, અને તેઓ બધાં તેની સાથે હર્ષ પામ્યાં. આઠમે દિવસે તેઓ છોકરાની સુન્‍નત કરાવવા આવ્યાં. તેઓ તેનું નામ તેના પિતાના નામ પરથી ઝખાર્યા પાડવાના હતા, પણ તેની માએ કહ્યું, “ના, એનું નામ તો યોહાન પાડવાનું છે!” તેમણે તેને કહ્યું, “પણ તારાં સગાંવહાલામાં એવું નામ તો કોઈનું નથી!” પછી તેમણે તેના પિતાને ઈશારો કરીને પૂછયું, “તમારે તેનું નામ શું રાખવું છે?” ઝખાર્યાએ લેખનપાટી મંગાવીને તે પર લખ્યું, “તેનું નામ યોહાન છે.” તેઓ બધા અચંબો પામ્યા. ઝખાર્યા તરત જ ફરીથી બોલતો થયો અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. બધા પડોશીઓ ગભરાઈ ગયા, અને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં આ સમાચાર ફેલાઈ ગયા. જેમણે સાંભળ્યું તેઓ વિચારમાં પડી ગયા અને પૂછવા લાગ્યા, “આ છોકરો કેવો બનશે?” કારણ, તેની સાથે ઈશ્વરનું સામર્થ્ય હતું. યોહાનના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઈશ્વરનો સંદેશો કહ્યો, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! કારણ, તેમણે પોતાના લોકોની મદદે આવીને તેમનો ઉદ્ધાર કર્યો છે. તેમણે આપણે માટે સમર્થ ઉદ્ધારક ઊભો કર્યો છે; તે તો તેમના સેવક દાવિદના વંશજ છે. આ વાત તો તેમણે પોતાના પવિત્ર સંદેશવાહકો દ્વારા પ્રાચીનકાળથી જણાવી હતી. તેમણે આપણને આપણા દુશ્મનોથી અને આપણને ધિક્કારનાર સર્વની સત્તા નીચેથી બચાવવાનું વચન આપ્યું હતું. આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવવાનું અને પોતાનો પવિત્ર કરાર પોતે યાદ રાખશે એમ તેમણે કહ્યું હતું. એ માટે આપણા પૂર્વજ અબ્રાહામ આગળ સમ ખાઈને વચન પણ આપ્યું હતું; જેથી આપણા સમગ્ર જીવન દરમ્યાન આપણે તેમની સમક્ષ પવિત્ર અને સદાચારી રહીએ, અને નિર્ભયપણે તેમની સેવા કરીએ. “મારા પુત્ર, તું તો સર્વોચ્ચ ઈશ્વરનો સંદેશવાહક કહેવાશે. પ્રભુની આગળ જઈને તું તેમને માટે માર્ગ તૈયાર કરશે. તેમજ તેમના લોકોને તેમનાં પાપોની ક્ષમા મળવાથી થનાર બચાવ વિષે તું કહેશે. “આપણા ઈશ્વર દયાળુ તથા મમતાળુ છે. આપણા ઉપર તે ઉદ્ધારનું તેજસ્વી પ્રભાત પ્રગટાવશે. મૃત્યુની ઘેરી છાયા હેઠળ વસનારાઓ પર પ્રકાશ પાડશે, અને આપણા પગને તે શાંતિને માર્ગે દોરી જશે.” છોકરો મોટો થયો અને આત્મામાં વૃદ્ધિ પામ્યો. ઇઝરાયલ પ્રજા સમક્ષ જાહેર થવાના દિવસ સુધી તે વેરાન પ્રદેશમાં રહ્યો. સમ્રાટ ઓગસ્તસે પોતાના રાજ્યકાળ દરમિયાન એકવાર એવો હુકમ બહાર પાડયો કે વસ્તી ગણતરી માટે સામ્રાજ્યના બધા નાગરિકો પોતાની નોંધણી કરાવે. આ પ્રથમ વસ્તી ગણતરીના સમયે કુરેનિયસ સિરિયાનો રાજ્યપાલ હતો. તેથી બધા પોતાની નોંધણી કરાવવા માટે પોતપોતાના વતનમાં ગયા. યોસેફ ગાલીલ પ્રદેશના નાઝારેથ નામના નગરમાંથી દાવિદ રાજાની જન્મભૂમિ યહૂદિયાના બેથલેહેમ નામના નગરમાં ગયો. કારણ, યોસેફ દાવિદનો વંશજ હતો. મિર્યામ, જેની સાથે તેની સગાઈ થઈ હતી, તેને લઈને તે પોતાની નોંધણી કરાવવા ગયો. તે સમયે મિર્યામ સગર્ભા હતી. તેઓ બેથલેહેમમાં હતાં ત્યારે જ તેની પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો. તેણે પોતાના પ્રથમ પુત્રને જન્મ આપ્યો. તેણે તેને કપડામાં લપેટીને ઘાસ નીરવાની ગમાણમાં સુવાડયો. કારણ, તેમને રહેવા માટે બીજા કોઈ સ્થળે જગ્યા ન હતી. એ વિસ્તારમાં કેટલાક ઘેટાંપાલકો રહેતા હતા. તે રાત્રે તેઓ ખેતરોમાં પોતાનાં ટોળાંને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેમને દેખાયો, અને પ્રભુનો મહિમા તેમના પર પ્રકાશ્યો. તેઓ ઘણા જ ગભરાઈ ગયા. પણ દૂતે તેમને કહ્યું, “ગભરાશો નહિ, હું તમને મોટા આનંદના શુભ સમાચાર જણાવવા આવ્યો છું, અને એ સાંભળીને બધા લોકોને ઘણો આનંદ થશે. આજે દાવિદના નગરમાં તમારા ઉદ્ધારક ખ્રિસ્ત પ્રભુનો જન્મ થયો છે. તમે આ નિશાની પરથી તે જાણી શકશો: તમે એક બાળકને કપડામાં લપેટેલું અને ઘાસ નીરવાની ગમાણમાં સૂતેલું જોશો.” પછી એ દૂતની સાથે ઈશ્વરની સ્તુતિ કરતો આકાશના દૂતોનો એક મોટો સમુદાય એકાએક દેખાયો. “સર્વોચ્ચ આકાશમાં ઈશ્વરનો મહિમા થાઓ, અને પૃથ્વી પરના તેમના મનપસંદ માણસોને શાંતિ થાઓ.!” દૂતો તેમની પાસેથી આકાશમાં પાછા જતા રહ્યા પછી ઘેટાંપાલકોએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે બેથલેહેમ જઈએ અને ઈશ્વરે આપણને જે બન્યાની જાણ કરી છે તે જોઈએ.” તેઓ તરત જ નીકળી પડયા. તેમને મિર્યામ અને યોસેફ મળ્યાં અને તેમણે ઢોરની ગમાણમાં બાળકને સૂતેલું જોયું. જ્યારે ઘેટાંપાલકોએ બાળકને જોયું ત્યારે દૂતોએ બાળક વિષે તેમને જે કહ્યું હતું તે તેમણે કહી સંભળાવ્યું. ઘેટાંપાલકોની વાત સાંભળીને બધા આશ્ર્વર્યમાં પડી ગયા. મિર્યામે આ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખી અને એના પર ઊંડો વિચાર કરવા લાગી. ઘેટાંપાલકોએ જે જે સાંભળ્યું તથા જોયું તેને લીધે તેઓ ઈશ્વરનો મહિમા અને તેમની પ્રશંસા કરતા પાછા ફર્યા. દૂતે તેમને જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે બનેલું તેમણે નિહાળ્યું. આઠમે દિવસે છોકરાની સુનન્તનો વિધિ કરવામાં આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું. તેનું ગર્ભાધાન થયા અગાઉ દૂતે એ જ નામ આપ્યું હતું. મોશેના નિયમશાસ્ત્રમાં આપેલા આદેશ પ્રમાણે શુદ્ધિકરણનો વિધિ કરવાનો સમય આવ્યો. તેથી ઈશ્વરને અર્પણ કરવા માટે તેઓ છોકરાને યરુશાલેમ લઈ ગયા. કારણ, પ્રભુના નિયમશાસ્ત્રમાં લખેલું છે, “પ્રથમ જન્મેલા પ્રભુના પુત્રનું અર્પણ પ્રભુને કરવું.” પ્રભુના નિયમશાસ્ત્રમાંની માગણી મુજબ તેઓ કબૂતરની એક જોડ અથવા હોલાનાં બે બચ્ચાંનું બલિદાન ચઢાવવા ગયાં. યરુશાલેમમાં શિમયોન નામે એક ભલો અને ઈશ્વરની બીક રાખનાર માણસ રહેતો હતો. તે ઇઝરાયલના ઉદ્ધારની રાહ જોતો હતો. પવિત્ર આત્મા તેની સાથે હતો, અને તેને ખાતરી આપી હતી કે ઈશ્વરે આપેલા વચન પ્રમાણે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તે મરણ પામશે નહિ. આત્માની પ્રેરણાથી શિમયોન મંદિરમાં આવ્યો. મોશેના નિયમશાસ્ત્રમાં ઠરાવેલી ક્રિયા કરવા માટે બાળઈસુના માતાપિતા તેમને મંદિરમાં લાવ્યા હતા. શિમયોને છોકરાને પોતાના હાથમાં લીધો, અને ઈશ્વરનો આભાર માનતા કહ્યું, “હે પ્રભુ, હવે તમારા સેવકને તમારા વચન પ્રમાણે શાંતિથી જવા દો; કારણ, મેં મારી પોતાની આંખે તમારો ઉદ્ધાર જોયો છે. તમે એને સર્વ પ્રજાઓ સમક્ષ પ્રયોજ્યો છે: એ તો બિનયહૂદીઓને પ્રક્ટીકરણ દેનાર અને તમારા ઇઝરાયલી લોકને ગૌરવ પમાડનાર પ્રકાશ છે.” શિમયોને છોકરા અંગે જે કંઈ કહ્યું તે સાંભળીને તેના માતાપિતા આશ્ર્વર્ય પામ્યાં. શિમયોને તેમને આશિષ આપી અને બાળકની માતા મિર્યામને કહ્યું, “ઇઝરાયલમાં ઘણાના વિનાશ અને ઉદ્ધારને માટે ઈશ્વરે આ છોકરાને પસંદ કરેલો છે. એ તો ઈશ્વર તરફથી આવેલી નિશાનીરૂપ બનશે કે જેની વિરુદ્ધ ઘણા લોકો બોલશે, અને એમ તેમના ગુપ્ત વિચારો જાહેર થશે. તારું હૃદય પણ તીક્ષ્ણ તલવાર જેવા દુ:ખથી વિંધાશે.” આશેરના કુળના ફાનુએલની દીકરી આન્‍ના ઈશ્વરની સંદેશવાહિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. સાત વર્ષનું પરિણીત જીવન ગાળ્યા પછી તે ચોર્યાસી વર્ષથી વિધવા હતી. તે કદી મંદિર છોડીને જતી નહિ, પણ રાત-દિવસ ઉપવાસ અને પ્રાર્થના કરતાં ઈશ્વરની ભક્તિ કરતી હતી. તે પણ ત્યાં એ જ સમયે આવી પહોંચી. તેણે ઈશ્વરનો આભાર માન્યો અને યરુશાલેમના ઉદ્ધારની રાહ જોનાર સૌને છોકરા અંગે જાણ કરી. પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે જે કંઈ ધર્મક્રિયાઓ કરવાની હતી, તે બધી પૂરી કરીને તેઓ ગાલીલમાં તેમના શહેર નાઝારેથ પાછાં ફર્યાં. છોકરો મોટો થયો અને સશક્ત બન્યો; તે જ્ઞાનપૂર્ણ હતો, અને તેના પર ઈશ્વરની આશિષ હતી. ઈસુનાં માતાપિતા પાસ્ખાપર્વ માટે દર વર્ષે યરુશાલેમ જતાં હતાં. ઈસુ બાર વર્ષના થયા ત્યારે હંમેશની માફક તેઓ પર્વમાં ગયાં. પર્વ પૂરું થયું એટલે તેઓ ઘેર પાછાં વળ્યાં, પણ બાળઈસુ યરુશાલેમમાં જ રોકાયા. તેમનાં માતાપિતાને એ વાતની ખબર નહોતી. તે ટોળાની સાથે જ હશે એમ વિચારીને તેઓ એક આખો દિવસ ચાલ્યાં, અને પછી તેઓ તેમના સગાંસબંધીઓ અને મિત્રો મયે તેમને શોધવા લાગ્યાં. તે તેમને મળ્યા નહિ તેથી તેઓ તેમને શોધતાં શોધતાં યરુશાલેમ ગયાં. ત્રીજે દિવસે તેમણે તેમને મંદિરમાં યહૂદી ધર્મગુરુઓ વચ્ચે બેસીને તેમનું સાંભળતા અને પ્રશ્ર્નો પૂછતા જોયા. તેમના બુદ્ધિપૂર્વક જવાબો સાંભળનારા સૌ આશ્ર્વર્યમાં પડી ગયા હતા. ઈસુને જોઈને તેમનાં માતાપિતા પણ આશ્ર્વર્ય પામ્યાં, અને તેમની માએ તેમને કહ્યું, “દીકરા, તેં અમારી સાથે આવો વર્તાવ કેમ કર્યો? તારા પિતાએ અને મેં તારી કેટલી ચિંતાપૂર્વક શોધ કરી!” તેમણે તેમને જવાબ આપ્યો, “તમારે મારી શોધ કરવાની શી જરૂર હતી? શું તમને ખબર નહોતી કે મારે મારા ઈશ્વરપિતાના ઘરમાં હોવું જોઈએ?” પણ તેઓ તેમનું કહેવું સમજી શક્યાં નહિ. તેથી ઈસુ તેમની સાથે નાઝારેથ ગયા અને ત્યાં તે તેમને આધીન રહ્યા. તેમની માએ આ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખી. ઈસુ શરીરમાં તથા જ્ઞાનમાં વૃદ્ધિ પામતા ગયા અને ઈશ્વર તથા માણસોની પ્રસન્‍નતા પ્રાપ્ત કરતા રહ્યા સમ્રાટ તિબેરિયસના શાસનનું પંદરમું વર્ષ ચાલતું હતું; તે વખતે પોંતિયસ પિલાત યહૂદિયાનો રાજ્યપાલ હતો, હેરોદ ગાલીલમાં રાજ કરતો હતો, અને તેનો ભાઈ ફિલિપ ઈતુરાઈ તથા ત્રાખોનીતીના પ્રદેશો પર અમલ ચલાવતો હતો; લુસાનિયસ આબિલેનેનો રાજા હતો, અને આન્‍નાસ તથા ક્યાફાસ પ્રમુખ યજ્ઞકારો હતા. ત્યારે ઝખાર્યાના પુત્ર યોહાન પાસે વેરાન પ્રદેશમાં ઈશ્વરનો સંદેશ આવ્યો. તેથી યોહાન યર્દન નદીના સમગ્ર વિસ્તારમાં ફર્યો અને ઉપદેશ કરતો ગયો, “તમારાં પાપથી પાછા ફરો અને બાપ્તિસ્મા પામો.” જેમ સંદેશવાહક યશાયાએ તેના પુસ્તકમાં લખેલું છે તેમ, “વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: પ્રભુને માટે રાજમાર્ગ તૈયાર કરો; તેમને જવાનો રસ્તો સરખો કરો! દરેક ખીણ પૂરી દેવાની છે, અને ડુંગરાઓ તથા પર્વતોને સપાટ કરવાના છે, વાંક્ચૂંકા રસ્તાઓ સીધા કરવાના છે, અને ખરબચડા રસ્તા સપાટ કરવાના છે. સમસ્ત માનવજાત ઈશ્વરનો ઉદ્ધાર જોશે.” યોહાનથી બાપ્તિસ્મા પામવા લોકોનાં ટોળેટોળાં તેની પાસે આવવા લાગ્યાં. તેણે તેમને કહ્યું, “ઓ સર્પોનાં સંતાન, આવી પડનાર ઈશ્વરના કોપથી નાસી છૂટાશે એવી ચેતવણી તમને કોણે આપી? તમે તમારા પાપથી પાછા ફર્યા છો એવું દર્શાવતાં કાર્યો કરો. તમારા મનમાં એમ ન કહેશો કે અબ્રાહામ અમારો પૂર્વજ છે: હું તમને કહું છું કે ઈશ્વર તો આ પથ્થરોમાંથી પણ અબ્રાહામનાં સંતાનો બનાવી શકે તેમ છે. વૃક્ષોને મૂળમાંથી જ કાપી નાખવાને કુહાડો તૈયાર છે. જેને સારાં ફળ નથી આવતાં એવા પ્રત્યેક વૃક્ષને કાપીને અગ્નિમાં નાખી દેવાશે.” લોકોએ તેને પૂછયું, “તો અમે શું કરીએ?” તેણે જવાબ આપ્યો, “જેની પાસે બે ખમીશ હોય તેણે જેની પાસે એક પણ ન હોય તેને એક ખમીશ આપવું, અને જેની પાસે ખોરાક હોય તેણે તે વહેંચવો.” કેટલાક નાકાદારો તેની પાસે બાપ્તિસ્મા પામવા આવ્યા, અને તેમણે તેને પૂછયું, “ગુરુજી, અમે શું કરીએ?” તેણે કહ્યું, “ક્યદેસરનું હોય તે કરતાં વધારે ઉઘરાવો નહિ.” કેટલાક સૈનિકોએ પણ તેને પૂછયું, “અમે શું કરીએ?” તેણે તેમને કહ્યું, “કોઈની પાસેથી બળજબરીથી પૈસા પડાવો નહિ, અથવા કોઈને ખોટી રીતે દોષિત ઠરાવો નહિ. તમને મળતા પગારમાં જ સંતોષ માનો.” લોકોમાં આશા પેદા થઈ અને તેમને યોહાન વિષે ઉત્સુક્તા થઈ કે એ મસીહ હશે! તેથી યોહાને એ બધાને કહ્યું, “હું તમારું બાપ્તિસ્મા પાણી દ્વારા કરું છું, પણ મારા કરતાં જે મહાન છે તે આવનાર છે. હું તેમનાં ચંપલ ઉતારવા માટે પણ યોગ્ય નથી. તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્મા અને અગ્નિથી કરશે. અનાજ ઝૂડીને ઘઉં પોતાના ભંડારમાં ભરવાને ઊપણવાનું સૂપડું તેમની પાસે છે; પણ ભૂસાને તો તે કદી હોલવાઈ ન જનાર અગ્નિમાં બાળી નાખશે.” શુભસંદેશનો બોધ કરતાં યોહાન લોકોને જુદી જુદી રીતે ઉત્તેજન આપતો હતો. પણ યોહાન રાજ્યપાલ હેરોદની વિરુદ્ધ બોલતો, કારણ કે હેરોદે તેના ભાઈની પત્ની હેરોદિયાસ સાથે લગ્ન કર્યું હતું, અને બીજા ઘણાં ભૂંડા ક્મ કર્યાં હતાં. વળી, હેરોદે યોહાનને જેલમાં પુરાવીને સૌથી મોટું ભૂંડું ક્મ કર્યું. બધા લોકોનું બાપ્તિસ્મા કર્યા પછી ઈસુનું પણ બાપ્તિસ્મા કરવામાં આવ્યું. તે પ્રાર્થના કરતા હતા એવામાં આકાશ ખુલ્લું થયું. અને પવિત્ર આત્મા કબૂતરના રૂપમાં તેમના પર ઊતરી આવ્યો. વળી, આકાશવાણી સંભળાઈ, “તું મારો પ્રિય પુત્ર છે, તારા પર હું પ્રસન્‍ન છું.” ઈસુએ પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા. લોકોની માન્યતા પ્રમાણે ઈસુ યોસેફના પુત્ર છે. ઈસુની વંશાવળી આ પ્રમાણે છે: ઈસુ, યોસેફ, હેલી, મથ્થાત, લેવી, મલ્ખી, યન્‍નય, યોસેફ, મત્તિયા, આમોસ, નાહૂમ, હસ્લી, નગ્ગયો, મહથ, મત્તિયા, શિમઈ, યોસેખ, યોદાહ, યોહાનાન, રેસા, ઝરુબ્બાબેલ, શઆલ્તીએલ, નેરી, મલ્ખી, અદી, કોસામ, અલ્માદામ, એર, યહોશુઆ, એલીએઝેર, યોરીમ, માથ્થાત, લેવી, શિમયોન, યહૂદા, યોસેફ, યોનમ, એલ્યાકીમ, મલેઆહ, મિન્‍ના, મત્તથાહ, નાથાન, દાવિદ, ઈશાય, ઓબેદ, બોઆઝ, શલેહ, નાહશોન, અમ્મીનાદાબ, અહ્મી, અરની, હેસ્રોન, પેરેસ, યહૂદા, યાકોબ, ઇસ્હાક, અબ્રાહામ, તેરાહ, નાહોર, સરૂગ, રેઉ, પેલેગ, એબેર, શેલાહ, કેનાન, અર્ફક્ષદ, શેમ, નૂહ, લામેખ, મથૂસેલાહ, હનોખ, યારેદ, માહલાએલ, કેનાન, અનોશ, શેથ, આદમ અને ઈશ્વર. ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા ફર્યા, અને પવિત્ર આત્મા તેમને વેરાન પ્રદેશમાં લઈ ગયો. ત્યાં ચાલીસ દિવસ સુધી શેતાને તેમનું પ્રલોભન કર્યું. એ સમય દરમિયાન તેમણે કંઈ ખાધું નહોતું. એ દિવસો પૂરા થયા પછી તેમને ભૂખ લાગી. શેતાને તેમને કહ્યું, “જો તું ઈશ્વરપુત્ર હોય તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલી બની જાય.” ઈસુએ જવાબ આપ્યો, “શાસ્ત્રમાં લખેલું છે, ‘માનવી ફક્ત રોટલી પર જ જીવતો નથી.” પછી શેતાને તેમને ઊંચે લઈ જઈને એક ક્ષણમાં દુનિયાનાં બધાં રાજ્યો બતાવ્યાં. શેતાને તેમને કહ્યું, “હું તને આ બધી સત્તા અને એનો વૈભવ આપીશ. એ મને સોંપી દેવામાં આવ્યાં છે, અને હું ચાહું તેને તે આપી શકું છું. એટલે જો તું પગે પડીને મારી ભક્તિ કરે, તો આ બધું તારું થશે.” ઈસુએ તેને જવાબ આપ્યો, “શાસ્ત્રમાં લખેલું છે, ‘પ્રભુ તારા ઈશ્વરની તું ભક્તિ કર અને માત્ર તેમની જ સેવા કર!” પછી શેતાન તેમને યરુશાલેમ લઈ ગયો, તેમને મંદિરના સૌથી ઊંચા ભાગ પર ઊભા રાખ્યા, અને કહ્યું, “જો તું ઈશ્વરપુત્ર હોય, તો અહીંથી કૂદીને નીચે પડ. કારણ, શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર પોતાના દૂતોને તારી સંભાળ લેવાની આજ્ઞા કરશે.” તેમાં એમ પણ લખેલું છે, “તેઓ તને પોતાના હાથમાં ધરી લેશે; જેથી તારો પગ પણ પથ્થર સાથે અથડાય નહિ.” ઈસુએ જવાબ આપ્યો, “શાસ્ત્રમાં લખેલું છે, ‘તારે પ્રભુ તારા ઈશ્વરની ક્સોટી કરવી નહિ.” ઈસુનું બધી રીતે પ્રલોભન કરી ચૂક્યા પછી શેતાન કેટલીક મુદત સુધી તેમની પાસેથી ગયો. પછી ઈસુ ગાલીલ પાછા ફર્યા, અને પવિત્ર આત્માનું પરાક્રમ તેમની સાથે હતું. આસપાસના આખા વિસ્તારમાં તેમના વિષેના સમાચાર ફેલાઈ ગયા. તે યહૂદીઓનાં ભજનસ્થાનોમાં ઉપદેશ આપતા હતા, અને બધા તેમની પ્રશંસા કરતા હતા. પછી ઈસુ જ્યાં તેમનો ઉછેર થયો હતો એ નાઝારેથમાં ગયા, અને હંમેશની રીત પ્રમાણે તે વિશ્રામવારે ભજનસ્થાનમાં ગયા અને તે શાસ્ત્ર વાંચવા ઊભા થયા. સંદેશવાહક યશાયાનું પુસ્તક તેમને આપવામાં આવ્યું. તેમણે વીંટો ઉઘાડીને જ્યાં આ પ્રમાણે લખેલું છે તે ભાગ ખોલ્યો: “પ્રભુનો આત્મા મારા પર છે; કારણ, ગરીબોને શુભસંદેશનો ઉપદેશ આપવા તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા અને અંધજનોને દૃષ્ટિ પાછી મળવાની જાહેરાત કરવા, કચડાયેલાઓને મુક્ત કરવા અને જે વર્ષમાં પ્રભુ પોતાના લોકોને બચાવશે તે વર્ષની જાહેરાત કરવા મોકલ્યો છે.” ઈસુએ વીંટો વીંટાળી દીધો અને સેવકને પાછો આપી તે બેસી ગયા. ભજનસ્થાનમાંના બધાની નજર તેમના પર મંડાઈ રહી. તે તેમને કહેવા લાગ્યા, “આજે આ શાસ્ત્રભાગ તમે તે વંચાતો સાંભળ્યો ત્યારે જ પરિપૂર્ણ થયો છે.” એ બધા પર તેમની ઘેરી છાપ પડી અને તેમની માુર વાણીથી તેઓ મુગ્ધ થઈ ગયા. તેમણે કહ્યું, “શું તે યોસેફનો પુત્ર નથી?” તેમણે કહ્યું, “હું જાણું છું કે તમે મારી આગળ આ કહેવત ટાંકશો: “વૈદ, તું પોતાને સાજો કર.’ તમે મને એમ પણ કહેશો, “કાપરનાહૂમમાં તેં કરેલા જે કાર્યો વિષે અમે સાંભળ્યું છે, તે જ કાર્યો અહીં તારા પોતાના વતનમાં કર.” પણ હું તમને સાચે જ કહું છું: સંદેશવાહક પોતાના વતનમાં કદી આવકાર પામતો નથી. હું તમને સાચું કહું છું કે, એલિયાના સમયમાં સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ પડયો નહોતો, અને આખા દેશમાં ભારે દુકાળ હતો ત્યારે ઇઝરાયલમાં ઘણી વિધવાઓ હતી. છતાં એલિયાને એમાંની કોઈ વિધવાને ત્યાં નહિ, પણ માત્ર સિદોન પ્રદેશના સારફાથની વિધવાને ત્યાં જ મોકલવામાં આવ્યો હતો. વળી, સંદેશવાહક એલીશાના સમય દરમિયાન ઇઝરાયલમાં ઘણા કોઢિયા હતા. છતાં સિરિયાના નાઅમાન સિવાય એમાંના કોઈને શુદ્ધ કરવામાં આવ્યો ન હતો.” એ સાંભળીને ભજનસ્થાનમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધે ભરાયા. તેમણે ઊઠીને ઈસુને નગર બહાર કાઢી મૂક્યા, અને તેમને કરાડ પરથી ફેંકી દેવા, તેમનું નગર જે પહાડ પર બંધાયેલું હતું તેના શિખર પર લઈ ગયા, પણ તે ટોળામાં થઈને ચાલ્યા ગયાં. પછી ઈસુ ગાલીલમાં આવેલા કાપરનાહુમમાં ગયા, અને ત્યાં વિશ્રામવારે તેમણે લોકોને ઉપદેશ આપ્યો. તેમનો ઉપદેશ સાંભળીને તેઓ સૌ આશ્ર્વર્યમાં પડી ગયા; કારણ, તેમની વાણી અધિકારયુક્ત હતી. ભજનસ્થાનમાં દુષ્ટાત્મા વળગેલો એક માણસ હતો; તેણે મોટે અવાજે બૂમ પાડી, “અરે નાઝારેથના ઈસુ, તમારે અને અમારે શું લાગેવળગે છે? શું તમે અમારો નાશ કરવા અહીં આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું; તમે તો ઈશ્વરના પવિત્ર સંદેશવાહક છો!” ઈસુએ દુષ્ટાત્માને આજ્ઞા કરી, “ચૂપ રહે, અને એ માણસમાંથી બહાર નીકળ.” તે બધાના દેખતાં દુષ્ટાત્માએ એ માણસને નીચે ફેંકી દીધો, અને તેને કંઈપણ ઇજા કર્યા વિના તેનામાંથી નીકળી ગયો. તેઓ સૌ અચંબો પામી ગયા, અને એકબીજાને કહેવા લાગ્યા, “આ તે કેવા પ્રકારના શબ્દો! અધિકાર અને પરાક્રમથી તે દુષ્ટાત્માઓને હુકમ કરે છે, અને તેઓ બહાર પણ નીકળે છે!” અને એ સમગ્ર પ્રદેશમાં ઈસુ અંગેની વાત ફેલાઈ ગઈ. ઈસુ ભજનસ્થાનમાંથી નીકળીને સિમોનને ઘેર આવ્યા. સિમોનની સાસુ સખત તાવથી પીડાતી હતી, અને તેમણે ઈસુને તેના સંબંધી કહ્યું. તે જઈને તેની પથારી પાસે ઊભા રહ્યા અને તાવને ધમકાવ્યો એટલે તેનો તાવ ઊતરી ગયો! તે તરત જ ઊભી થઈને તેમની સરભરા કરવા લાગી. સૂર્યાસ્ત પછી લોકો વિવિધ પ્રકારના રોગથી પીડાતા પોતાના મિત્રોને ઈસુ પાસે લાવ્યા; ઈસુએ પ્રત્યેકના માથા પર પોતાના હાથ મૂક્યા અને તેમને બધાને સાજા કર્યા. “તમે ઈશ્વરપુત્ર છો,” એવી બૂમ પાડતાં પાડતાં અશુદ્ધ આત્માઓ ઘણા લોકોમાંથી નીકળી ગયા. ઈસુએ તેમને ધમકાવ્યા અને બોલવા દીધા નહિ; કારણ, તેઓ જાણતા હતા કે તે મસીહ છે. ઈસુ પરોઢિયે નગર બહાર એક્ંત જગ્યામાં જતા રહ્યા. લોકો ઈસુને શોધવા લાગ્યા, અને તે તેમને મળ્યા એટલે તેમણે તેમને જતા રોકાયા. પણ તેમણે તેમને કહ્યું, “મારે બીજાં નગરોમાં પણ ઈશ્વરના રાજના શુભસંદેશનો પ્રચાર કરવાનો છે; કારણ, એટલા માટે જ ઈશ્વરે મને મોકલ્યો છે.” તેથી તેમણે યહૂદિયાનાં બીજાં ભજનસ્થાનોમાં પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું. ઈસુ એકવાર ગેન્‍નેસારેત સરોવરને કિનારે ઊભા હતા, ત્યારે લોકો ઈશ્વરનો સંદેશ સાંભળવા તેમની આસપાસ પડાપડી કરતા હતા. તેમણે બે હોડીઓ કિનારે લાંગરેલી જોઈ; માછીમારો એ હોડીઓમાં નહોતા, પણ જાળો ધોતા હતા. ઈસુ એક હોડીમાં ચડી ગયા, તે હોડી તો સિમોનની હતી. ઈસુએ તેને હોડી કિનારેથી થોડે દૂર લઈ જવા કહ્યું. ઈસુ હોડીમાં બેસીને લોકોને ઉપદેશ આપવા લાગ્યા. તેમનું પ્રવચન પૂરું થતાં જ તેમણે સિમોનને કહ્યું, “હોડી ત્યાં ઊંડા પાણીમાં લઈ જા, અને માછલાં પકડવા તમારી જાળો નાખો.” સિમોને જવાબ આપ્યો, “ગુરુજી, અમે આખી રાત સખત પરિશ્રમ કર્યો છે, અને કંઈ હાથ લાગ્યું નથી. પણ તમે કહો છો એટલે હું જાળો નાખીશ.” તેમણે જાળો નાખી અને એટલી બધી માછલીઓ પકડાઈ કે જાળો તૂટવાની તૈયારીમાં જણાઈ. તેથી તેમણે બીજી હોડીમાંના તેમના ભાગીદારોને આવીને મદદ કરવા ઇશારો કર્યો. તેમણે આવીને બન્‍ને હોડીઓ માછલીઓથી ભરી, એટલે સુધી કે તે ડૂબવા જેવી થઈ ગઈ. જે બન્યું તે જોઈને સિમોન પિતર ઈસુના ચરણોમાં પડીને બોલી ઊઠયો, “પ્રભુ, મારી પાસેથી જાઓ! હું તો પાપી છું.” પકડાયેલી માછલીઓનો મોટો જથ્થો જોઈને તે તથા તેની સાથેના બીજા માણસો આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા. ઝબદીના પુત્રો યાકોબ અને યોહાન, જે સિમોનના ભાગીદાર હતા તેઓ પણ આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા હતા. ઈસુએ સિમોનને કહ્યું, “ગભરાઈશ નહિ, હવેથી તું માણસોને મારા અનુયાયી બનાવીશ.” તેઓ હોડીઓ કિનારે લઈ આવ્યા અને બધું મૂકી દઈને ઈસુની પાછળ ગયા. એકવાર ઈસુ એક નગરમાં હતા. ત્યાં એક રક્તપિત્તિયો હતો. તેણે ઈસુને જોઈને જમીન પર પડીને નમન કર્યું અને તેમને આજીજી કરી, “સાહેબ, તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો!” ઈસુ પોતાનો હાથ લંબાવીને તેને અડક્યા. તેમણે કહ્યું, “હું ચાહું છું. તું શુદ્ધ થા!” તરત જ તે માણસમાંથી રક્તપિત્ત દૂર થયો. ઈસુએ તેને આજ્ઞા કરી, “આ અંગે કોઈને કહીશ નહિ, પણ સીધો યજ્ઞકાર પાસે જા અને તેની પાસે તારી તપાસ કરાવ; પછી તું શુદ્ધ થયો છે તે બધા આગળ સાબિત કરવા મોશેએ ઠરાવ્યા પ્રમાણેનું બલિદાન ચઢાવ.” ઈસુની કીર્તિ ખૂબ ફેલાઈ ગઈ, અને લોકોનાં ટોળેટોળાં તેમનું સાંભળવા અને રોગોમાંથી સાજા થવા આવ્યાં. પણ તે એક્ંતમાં ચાલ્યા જતા અને ત્યાં પ્રાર્થના કરતા. એક દિવસે ઈસુ ઉપદેશ આપતા હતા ત્યારે ગાલીલ તથા યહૂદિયાના બધા નગરોમાંથી અને યરુશાલેમથી આવેલા કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકો ત્યાં બેઠા હતા. માંદાઓને સાજા કરવા માટે ઈસુ પાસે પ્રભુનું પરાક્રમ હતું. કેટલાક માણસો લકવાવાળા એક માણસને પથારીમાં ઊંચકી લાવ્યા અને તેઓ તેને ઘરમાં લઈ જઈને ઈસુની આગળ મૂકવા પ્રયત્ન કરવા લાગ્યા. પણ ભીડને કારણે તેઓ તેને અંદર લઈ જઈ શક્યા નહિ. તેથી તેઓ તેને છાપરા પર લઈ ગયા, અને નળિયાં ઉકેલીને તેને લોકોની વચમાં ઈસુની આગળ પથારીમાં ઉતાર્યો. તેમનો વિશ્વાસ જોઈને, તેમણે તે માણસને કહ્યું, “ભાઈ, તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.” નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ પોતાના મનમાં કહેવા લાગ્યા, “ઈશ્વરની વિરુદ્ધ બોલનાર આ માણસ કોણ? કોઈ માણસ પાપ માફ કરી શક્તો નથી; માત્ર ઈશ્વર જ તેમ કરી શકે છે.” ઈસુ તેમના વિચારો જાણી ગયા અને તેમણે તેમને કહ્યું, “તમે એવા વિચારો કેમ કરો છો? ‘તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે,’ એમ કહેવું સહેલું છે કે, ‘ઊઠ, અને ચાલતો થા’ એમ કહેવું સહેલું છે? પણ માનવપુત્રને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે તે હું તમને સાબિત કરી આપીશ.” એટલા માટે લકવાવાળા માણસને તેમણે કહ્યું, “હું તને કહું છું: ઊઠ, તારી પથારી ઉપાડીને ઘેર જા!” તરત જ તે માણસ એ બધાની સમક્ષ ઊભો થયો, અને જે પથારી પર તે સૂતો હતો તે લઈને ઈશ્વરની સ્તુતિ કરતો પોતાને ઘેર ગયો. તેઓ બધા આશ્ર્વર્યમાં ગરક થઈ ગયા અને ભયભીત થઈને ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, “આજે આપણે કેવી અજાયબ બાબતો જોઈ!” એ પછી ઈસુ બહાર ગયા અને લેવી નામના એક નાકાદારને જક્તનાકા પર બેઠેલો જોયો. ઈસુએ તેને કહ્યું, “મને અનુસર.” લેવી ઊભો થયો અને પોતાનું સર્વસ્વ મૂકી દઈને તેમની પાછળ ગયો. પછી લેવીએ પોતાના ઘરમાં ઈસુને માટે ભોજન સમારંભ યોજ્યો. તેમની સાથે ઘણા નાકાદારો તથા બીજા માણસો જમવા બેઠા હતા. કેટલાક ફરોશીઓએ અને તેમના જૂથના નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુના શિષ્યો આગળ ફરિયાદ કરતાં પૂછયું, “તમે નાકાદારો તથા સમાજમાંથી બહિષ્કૃત થયેલા સાથે કેમ ખાઓપીઓ છો?” ઈસુએ તેમને જવાબ આપ્યો, “જેઓ તંદુરસ્ત છે તેમને નહિ, પણ જેઓ બીમાર છે તેમને જ વૈદની જરૂર છે. હું સદાચારી ગણાતા લોકોને નહિ પણ પોતાના પાપથી પાછા ફરે તે માટે પાપીઓને બોલાવવા આવ્યો છું.” કેટલાક લોકોએ ઈસુને કહ્યું, “યોહાનના શિષ્યો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે, અને ફરોશીઓના શિષ્યો પણ તેમ કરે છે, પણ તમારા શિષ્યો તો ખાય છે પીએ છે.” ઈસુએ જવાબ આપ્યો, “લગ્ન જમણમાં આવેલા મહેમાનોને વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી તમે ઉપવાસ કરાવી શકો ખરા? ના, કદી નહિ! પણ એવો સમય આવશે જ્યારે તેમની પાસેથી વરરાજા લઈ લેવાશે ત્યારે તેઓ ઉપવાસ કરશે.” ઈસુએ તેમને આ ઉદાહરણ પણ આપ્યું, “નવા વસ્ત્રમાંથી ટુકડો કાપીને કોઈ જૂના વસ્ત્રને થીંગડું મારતું નથી. એમ કરે તો તે જૂનું વસ્ત્ર ફાડશે જ, અને નવા વસ્ત્રનો જૂના વસ્ત્ર સાથે મેળ ખાશે નહિ. તે જ પ્રમાણે કોઈ નવો દારૂ વપરાયેલી મશકોમાં ભરતું નથી. જો એમ કરે તો નવો દારૂ મશક ફાડી નાખશે, દારૂ ઢળી જશે અને મશકો પણ નાશ પામશે. એને બદલે, નવો દારૂ તો વપરાયા વગરની મશકોમાં જ ભરવો જોઈએ. વળી, જૂનો દારૂ પીધા પછી કોઈ નવો માગતો નથી. તે કહેશે, ‘જૂનો જ સારો છે.” વિશ્રામવારે ઈસુ ઘઉંનાં ખેતરોમાં થઈને જતા હતા. તેમના શિષ્યો ડૂંડાં તોડીને હાથમાં મસળીને ખાવા લાગ્યા. કેટલાક ફરોશીઓએ કહ્યું, “આપણા નિયમશાસ્ત્રમાં વિશ્રામવારે જે કાર્ય કરવા અંગે મના કરેલી છે તે તમે કેમ કરો છો?” ઈસુએ તેમને જવાબ આપ્યો, “દાવિદ અને તેના સાથીદારો ભૂખ્યા હતા ત્યારે તેણે શું કર્યું તે શું તમે નથી વાંચ્યું? ઈશ્વરના મંદિરમાં જઈને તેણે ઈશ્વરને અર્પણ કરેલી રોટલી લઈને ખાધી, અને પોતાના સાથીદારોને પણ આપી; જો કે યજ્ઞકારો સિવાય બીજું કોઈ એ રોટલી ખાય તો તે આપણા નિયમશાસ્ત્રની વિરુદ્ધ છે.” પછી ઈસુએ તેમને કહ્યું, “માનવપુત્ર વિશ્રામવાર પર પણ પ્રભુત્વ ધરાવે છે.” એક બીજા વિશ્રામવારે ઈસુ યહૂદીઓના ભજનસ્થાનમાં જઈને ઉપદેશ આપવા લાગ્યા. ત્યાં એક એવો માણસ હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો. નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો તથા ફરોશીઓ ઈસુ કંઈક ખોટું કરે તો તેમના પર આરોપ મૂકવાનું કારણ શોધતા હતા; તેથી ઈસુ વિશ્રામવારે કોઈને સાજા કરશે કે કેમ તે જાણવા તેઓ તાકી રહ્યા હતા. પણ ઈસુ તેમના વિચારો જાણી ગયા અને તેમણે સુકાઈ ગયેલા હાથવાળા માણસને કહ્યું, “અહીં આગળ આવી ઊભો રહે.” તે માણસ ઊઠીને આગળ ઊભો રહ્યો. પછી ઈસુએ તેમને કહ્યું, “હું તમને પૂછું છું: આપણું નિયમશાસ્ત્ર આપણને વિશ્રામવારે શું કરવાનું કહે છે? મદદ કરવાનું કે નુક્સાન કરવાનું? માણસનું જીવન બચાવવાનું કે તેનો નાશ કરવાનું? તેમણે બધા પર નજર ફેરવી, અને તે માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેણે તેમ કર્યું, એટલે તેનો હાથ અગાઉના જેવો સાજો થઈ ગયો. પણ તેઓ ક્રોધે ભરાયા અને ઈસુને શું કરવું તેની અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. એ સમયે ઈસુ પ્રાર્થના કરવા માટે એક પર્વત પર ગયા અને તેમણે આખી રાત પ્રાર્થના કરવામાં ગાળી. સૂર્યોદય થયો ત્યારે તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેમનામાંથી બારને પસંદ કર્યા અને તેમને પ્રેષિતો કહ્યા; સિમોન (તેમણે તેનું ઉપનામ પિતર રાખ્યું) અને તેનો ભાઈ આંદ્રિયા; યાકોબ અને યોહાન; ફિલિપ અને બારથોલમી; માથ્થી અને થોમા, આલ્ફીનો પુત્ર યાકોબ અને સિમોન (જે ધર્માવેશી કહેવાતો હતો), યાકોબનો પુત્ર યહૂદા, અને દગો દેનાર યહૂદા ઈશ્કારિયોત. ઈસુ શિષ્યો સાથે પર્વત પરથી નીચે ઊતરીને મેદાનમાં ઊભા રહ્યા. ત્યાં તેમના શિષ્યોનો મોટો સમુદાય ભેગો થયો હતો. આખા યહૂદિયા પ્રદેશમાંથી, યરુશાલેમમાંથી અને તૂર તથા સિદોનના દરિયાક્ંઠાના પ્રદેશમાંથી આવેલા લોકોનો મોટો જનસમુદાય ત્યાં હતો. તેઓ તેમનું સાંભળવા તેમજ પોતાના રોગોથી સાજા થવા આવ્યા હતા. અશુદ્ધ આત્માઓથી પીડાતા માણસો પણ આવ્યા અને સાજા થયા. બધા લોકો તેમને સ્પર્શ કરવા પ્રયત્ન કરતા હતા, કારણ, તેમનામાંથી પરાક્રમ નીકળતું હતું, અને બધાને સાજા કરતું હતું. ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું, “તમ ગરીબોને ધન્ય છે; કારણ, ઈશ્વરનું રાજ તમારું છે! તમે જેઓ અત્યારે ભૂખ્યા છો, તેમને ધન્ય છે; કારણ તમે ખાઈને ધરાશો. તમે જેઓ અત્યારે રડો છો, તેમને ધન્ય છે; કારણ, તમે હસશો. “માનવપુત્રને લીધે માણસો તમારો તિરસ્કાર કરે, તમારો બહિષ્કાર કરે, તમારું અપમાન કરે અને તમને દુષ્ટ કહે ત્યારે તમને ધન્ય છે. એવું બને ત્યારે આનંદ કરો અને હર્ષને લીધે નાચો, કારણ, આકાશમાં તમારે માટે મોટો બદલો રાખેલો છે. તેમના પૂર્વજોએ પણ સંદેશવાહકો પ્રત્યે એવો જ વર્તાવ કર્યો હતો. “એથી ઊલટું, તમે જેઓ અત્યારે ધનવાન છો, તમને અફસોસ! કારણ, તમે એશઆરામી જીવન ભોગવી લીધું છે. તમે જેઓ અત્યારે ધરાયેલા છો, તમને અફસોસ! તમે ભૂખ્યા જ રહેશો! તમે જેઓ અત્યારે હસો છો, તમને અફસોસ! તમે શોક કરશો અને રડશો! “બધા માણસો તમારા વિષે સારું સારું બોલતા હોય, તો તમારી કેવી દુર્દશા થશે! કારણ, તમારા પૂર્વજો જુઠ્ઠા સંદેશવાહકો વિષે એવું જ બોલતા હતા.” “પણ તમે જેઓ મારું સાંભળી રહ્યા છો તેમને હું કહું છું: તમારા દુશ્મનો પર પ્રેમ કરો, અને જેઓ તમારો તિરસ્કાર કરે છે તેમનું ભલું કરો. જેઓ તમને શાપ આપે છે તેમને આશિષ આપો, જેઓ તમારું અપમાન કરે તેમને માટે પ્રાર્થના કરો. જો કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે, તો તેની આગળ બીજો ગાલ પણ ધરો. જો કોઈ તમારો કોટ લઈ જાય, તો તેને ખમીશ પણ લઈ જવા દો. જો કોઈ તમારી પાસે કંઈક માગે, તો તેને તે આપો, અને જો કોઈ તમારું કંઈ લઈ જાય તો તે પાછું ન માગો. બીજાઓ પાસેથી તમે જેવા વર્તનની અપેક્ષા રાખો છો તેવું જ વર્તન તમે તેમના પ્રત્યે પણ દાખવો. “તમારા પર પ્રેમ રાખે તેમના જ પર તમે પ્રેમ રાખો તો તમને કેવી રીતે આશિષ મળે? પાપીઓ પણ તેમના પર પ્રેમ રાખનારાઓ પર પ્રેમ રાખે છે! તમારું ભલું કરનારાઓનું જ તમે ભલું કરો તો તમને કેવી રીતે આશિષ મળે? એવું તો પાપીઓ પણ કરે છે! અને જેમની પાસેથી પાછું મળવાની આશા હોય તેમને જ માત્ર ઉછીનું આપો, તો તમને કેવી રીતે આશિષ મળે? પાપીઓ પણ પાપીઓને આપેલી રકમ પાછી મેળવવાને ઉછીની આપે છે. પણ તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તેમનું ભલું કરો. કંઈ પાછું મેળવવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો. એથી તમને મોટો બદલો મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના પુત્રો થશો. કારણ, ઈશ્વર અનુપકારીઓ અને દુષ્ટો પ્રત્યે પણ ભલા છે. તમારા ઈશ્વરપિતાની જેમ તમે પણ દયાળુ બનો. “બીજાઓનો ન્યાય ન કરો, એટલે તમારો પણ ન્યાય કરવામાં નહિ આવે; બીજાઓને દોષિત ન ઠરાવો, એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહિ આવે; બીજાઓને ક્ષમા આપો, એટલે તમને પણ ક્ષમા આપવામાં આવશે. બીજાઓને આપો એટલે તમને પણ અપાશે. માપ ખાસું દબાવીને, હલાવીને અને ઊભરાતું તમારા ખોળામાં ઠાલવવામાં આવશે. કારણ, જે માપથી તમે ભરી આપશો, તે માપથી જ તમને ભરી આપવામાં આવશે.” ઈસુએ તેમને આ ઉદાહરણ પણ કહ્યું, “આંધળો આંધળાને દોરી શકે નહિ, નહિ તો તેઓ બન્‍ને ખાડામાં પડે. શિષ્ય તેના ગુરુ કરતાં મહાન નથી; પણ પૂરું શિક્ષણ મેળવ્યા પછી પ્રત્યેક શિષ્ય તેના ગુરુ જેવો બને છે. “તારી પોતાની આંખમાંનો ભારટિયો ન જોતાં તું તારા ભાઈની આંખમાં તણખલું કેમ જુએ છે? ‘ભાઈ, મને તારી આંખમાંથી તણખલું કાઢવા દે,’ એમ તું તારા ભાઈને કેવી રીતે કહી શકે? તું તારી પોતાની આંખમાંના ભારટિયાને તો લક્ષમાં પણ લેતો નથી! ઓ ઢોંગી! પ્રથમ તારી પોતાની આંખમાંથી ભારટિયો કાઢ, એટલે પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢતાં તને બરાબર સૂઝશે. “સારા વૃક્ષને ખરાબ ફળ આવતાં નથી, તેમજ ખરાબ વૃક્ષને સારાં ફળ આવતાં નથી. વૃક્ષ તેના ફળ ઉપરથી ઓળખાય છે. તમે થોર પરથી અંજીર તોડતા નથી, અથવા ઝાંખરા પરથી દ્રાક્ષ વીણતા નથી. સારો માણસ પોતાના દયના સારા ખજાનામાંથી સારી વસ્તુ બહાર કાઢે છે; અને ભૂંડો માણસ પોતાના દયના ભૂંડા ખજાનામાંથી ભૂંડી વસ્તુ બહાર કાઢે છે. કારણ, માણસનું હૃદય જેનાથી ભરેલું હોય છે તે જ તેના મુખમાંથી બહાર આવે છે. “હું જે કહું છું તે તો તમે કરતા નથી, તો પછી તમે મને ‘પ્રભુ, પ્રભુ,’ કેમ કહો છો? મારી પાસે આવીને મારાં બોધ વચનો સાંભળનાર અને તેમનું પાલન કરનાર માણસ કોના જેવો છે તે હું દર્શાવીશ. તે તો એક ઘર બાંધનાર માણસ જેવો છે; તેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો. પછી નદીમાં પૂર આવ્યું અને ઘર પર તેનો સપાટો લાગ્યો; પણ તે ડગ્યું નહિ, કારણ, તે સારી રીતે બાંધેલું હતું. પણ જે કોઈ મારાં બોધ વચનો સાંભળીને પાળતો નથી, તે તો પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાંધનાર માણસ જેવો છે; તે ઘરને પૂરનો સપાટો લાગે કે તે તરત જ પડી જાય છે, અને એ ઘરનો કેવો મોટો નાશ થાય છે!” લોકોને બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કાપરનાહૂમમાં આવ્યા. ત્યાં એક રોમન સૂબેદારનો નોકર બીમાર હતો અને મરવાની અણી પર હતો. એ નોકર તેને ઘણો પ્રિય હતો. સૂબેદારે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે તેણે કેટલાક યહૂદી આગેવાનોને ઈસુ પાસે વિનંતી કરવા મોકલ્યા કે જેથી તે આવીને તેના નોકરને સાજો કરે. તેમણે ઈસુ પાસે આવીને તેમને કરગરીને કહ્યું, “આ માણસને તમારે મદદ કરવા જેવી છે. તે આપણા લોકોને ચાહે છે અને આપણે માટે તેણે પોતે એક ભજનસ્થાન બંધાવી આપ્યું છે.” તેથી ઈસુ તેમની સાથે ગયા. તે ઘેરથી થોડે જ દૂર હતા એવામાં સૂબેદારે પોતાના મિત્રોને તેમની પાસે કહેવા મોકલ્યા, “સાહેબ, તસ્દી લેશો નહિ. તમે મારા ઘરમાં આવો તેને હું યોગ્ય નથી. તેમ જ તમારી પાસે આવવા મેં પણ પોતાને યોગ્ય ગણ્યો નથી. તમે ફક્ત આજ્ઞા કરો એટલે મારો નોકર સાજો થઈ જશે. મારી ઉપર પણ અધિકારીઓ સત્તા ધરાવે છે, અને મારા હાથ નીચે સૈનિકો છે. હું એકને આજ્ઞા કરું છું, ‘જા,’ એટલે તે જાય છે, બીજાને આજ્ઞા કરું છું, ‘આમ કર,’ એટલે તે તેમ કરે છે.” એ સાંભળીને ઈસુ આશ્ર્વર્ય પામ્યા. તેમણે ટોળા તરફ ફરીને કહ્યું, “હું તમને કહું છું કે આવો વિશ્વાસ મને ઇઝરાયલમાં પણ જોવા મળ્યો નથી!” સંદેશકો સૂબેદારના ઘેર પાછા ગયા અને તેમણે નોકરને સાજો થઈ ગયેલો જોયો. થોડા સમય પછી ઈસુ નાઈન નામના નગરમાં ગયા; તેમના શિષ્યો અને ઘણા લોકો પણ તેમની સાથે ગયા. તે નગરના દરવાજે આવી પહોંચ્યા. તેમણે જોયું કે એક મૃત માણસને ઊંચકીને લોકો બહાર લઈ જતા હતા. એ મૃત્યુ પામેલો માણસ એક વિધવાનો એકનોએક પુત્ર હતો; તેથી નગરજનોનું મોટું ટોળું વિધવાની સાથે જોડાયું હતું. વિધવાને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી, અને તેમણે તેને કહ્યું, “વિલાપ ન કર.” પછી તે જઈને શબવાહિનીને અડક્યા, એટલે ઊંચકનારા માણસો થંભી ગયા. ઈસુએ કહ્યું, “યુવાન! હું તને કહું છું, ઊઠ!” પેલો મૃત માણસ બેઠો થયો અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો. બધા ભયભીત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, “આપણી વચ્ચે એક મોટા સંદેશવાહક ઊભા થયા છે, અને ઈશ્વરે પોતાની પ્રજા પર કૃપાદૃષ્ટિ કરી છે.” ઈસુ વિષેની આ વાત સમગ્ર યહૂદિયામાં અને આસપાસના બધા પ્રદેશમાં ફેલાઈ ગઈ. યોહાનના શિષ્યોએ તેને આ બધી બાબતો વિષે વાત કરી. તેણે પોતાના બે શિષ્યોને બોલાવીને તેમને પ્રભુ પાસે પૂછપરછ કરવા મોકલ્યા: “જેમનું આગમન થવાનું છે તે તમે જ છો, કે અમે બીજા કોઈની રાહ જોઈએ?” તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમણે કહ્યું, “બાપ્તિસ્મા કરનાર યોહાને અમને પૂછવા મોકલ્યા છે કે જેમનું આગમન થવાનું હતું તે તમે જ છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?” એ જ સમયે ઈસુ ઘણા લોકોને જાતજાતના રોગ અને દર્દથી તેમજ દુષ્ટાત્માઓ કાઢીને સાજા કરતા હતા, તથા ઘણા આંધળા માણસોને દેખતા કરતા હતા. તેમણે યોહાનના સંદેશકોને જવાબ આપ્યો, “જાઓ, અને તમે જે જે જોયું તથા સાંભળ્યું છે તે યોહાનને જણાવો: આંધળા દેખતા થાય છે, લંગડા ચાલતા થાય છે, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મરણ પામેલાઓને સજીવન કરવામાં આવે છે, અને ગરીબોને શુભસંદેશ પ્રગટ કરવામાં આવે છે. જે મારા વિશે શંકાશીલ નથી તેને ધન્ય છે!” યોહાનના સંદેશકોના ગયા પછી ઈસુ લોકોને યોહાન સંબંધી કહેવા લાગ્યા, “તમે યોહાન પાસે વેરાન પ્રદેશમાં ગયા, ત્યારે તમે શું જોવાની અપેક્ષા રાખતા હતા? પવનથી હાલતું ઘાસનું તરણું? તમે શું જોવા ગયા હતા? ભપકાદાર વસ્ત્ર પહેરેલો માણસ? ખરી રીતે તો જેઓ એવાં વસ્ત્ર પહેરે છે અને મોજશોખમાં રહે છે તેઓ તો રાજમહેલમાં હોય છે. તો મને કહો, તમે શું જોવા ગયા હતા? ઈશ્વરનો સંદેશવાહક? હા, હું તમને કહું છું કે તમે સંદેશવાહક કરતાં પણ એક મહાન માણસને જોયો. કારણ, યોહાન વિષે શાસ્ત્રમાં લખેલું છે, ‘ઈશ્વર કહે છે: તારી આગળ જઈને માર્ગ તૈયાર કરવાને હું તારી પહેલાં મારા સંદેશવાહકને મોકલું છું.” ઈસુએ વધુમાં કહ્યું, “હું તમને કહું છું: પૃથ્વી પર જન્મેલા બધા માણસો કરતાં યોહાન મહાન છે; પણ ઈશ્વરના રાજમાં જે નાનામાં નાનો છે તે યોહાનના કરતાં પણ મહાન છે.” બધા લોકોએ અને નાકાદારોએ તેમનું સાંભળ્યું; તેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા અને ઈશ્વર સાચો છે એવી કબૂલાત કરી. પણ ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ તો યોહાનથી બાપ્તિસ્મા લેવાની ના પાડી ને તેમના માટેના ઈશ્વરના હેતુનો ઇનકાર કર્યો. ઈસુએ વિશેષમાં કહ્યું, “આ જમાનાના લોકોને હું શાની સાથે સરખાવું? તેઓ તો ચોકમાં રમતાં બાળકો જેવા છે. એક ટુકડી બીજી ટુકડીને બૂમ પાડે છે: ‘અમે તમારે માટે લગ્નનું સંગીત વગાડયું, પણ તમે નાચ્યા નહિ, અમે મૃત્યુગીતો ગાયાં, પણ તમે રડયા નહિ!’ બાપ્તિસ્મા કરનાર યોહાન આવ્યો. તે ઉપવાસ કરતો હતો અને દ્રાક્ષાસવ પીતો ન હતો, છતાં તમે કહ્યું, ‘તેને ભૂત વળગ્યું છે!’ માનવપુત્ર આવ્યો, અને તે ખાતો હતો અને પીતો હતો, તો તમે કહ્યું, “જુઓ, આ માણસ! તે ખાઉધરો તથા દારૂડિયો અને નાકાદારો તથા સમાજમાંથી બહિષ્કૃત થયેલાઓનો મિત્ર છે! પણ ઈશ્વરનું જ્ઞાન તો તેને સ્વીકારનારાઓને સત્ય લાગે છે.” એક ફરોશીએ ઈસુને જમવાનું આમંત્રણ આપ્યું. ઈસુ તેને ઘેર ગયા અને જમવા બેઠા. એ શહેરમાં એક સ્ત્રી રહેતી હતી અને તેણે દુષ્ટ જીવન ગાળ્યું હતું. તેણે સાંભળ્યું કે ઈસુ ફરોશીના ઘેર જમે છે. તેથી તે અત્તર ભરેલી આરસપહાણની શીશી લાવી, અને જઈને ઈસુના પગ પાસે રડતી રડતી ઊભી રહી. તેનાં આંસુથી તેમના પગ પલળતા હતા. પછી તેણે પોતાના વાળ વડે તેમના પગ લૂછયા, પગને ચુંબન કર્યું અને તે પર અત્તર રેડયું. એ જોઈને ઈસુને આમંત્રણ આપનાર ફરોશીએ પોતાના મનમાં વિચાર્યું, “જો આ માણસ ઈશ્વરનો ખરેખરો સંદેશવાહક હોત તો તેમને સ્પર્શ કરનાર આ સ્ત્રી કોણ છે અને તે કેવું દુષ્ટ જીવન ગુજારે છે તેની તેમને ખબર પડી ગઈ હોત.” ઈસુએ તેને કહ્યું, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.” તેણે કહ્યું, “કહો, ગુરુજી!” ઈસુએ કહેવાનું શરૂ કર્યું, “એક નાણાં ધીરનારને બે દેવાદાર હતા. એકને પાંચસો દીનારનું દેવું હતું, જ્યારે બીજાને પચાસ દીનારનું દેવું હતું. બેમાંથી કોઈ પૈસા ભરપાઈ કરી શકે તેમ ન હતો, તેથી તેણે બન્‍નેનું દેવું માફ કર્યું. તો એ બેમાંથી કોણ તેના પર વધારે પ્રેમ રાખશે?” સિમોને જવાબ આપ્યો, “હું ધારું છું કે જેનું વધારે દેવું માફ થયું તે.” ઈસુએ કહ્યું, “તારો જવાબ સાચો છે.” પછી સ્ત્રી તરફ ફરતાં તેમણે સિમોનને કહ્યું, “તું આ સ્ત્રીને તો જુએ છે ને? હું તારા ઘરમાં આવ્યો, પણ તેં મને મારા પગ ધોવા માટે પાણી આપ્યું નથી, પણ મારા પગ તેણે પોતાના આંસુથી ધોયા છે અને પોતાના વાળથી લૂછયા છે. તેં ચુંબન કરીને મારો સત્કાર કર્યો નથી, પણ હું આવ્યો છું ત્યારથી તે મારા પગ ચુમ્યા કરે છે. તેં મારા વાળમાં તેલ નાખ્યું નહિ, પણ તેણે મારા પગ પર અત્તર રેડયું છે, તેથી હું તને કહું છું કે જે મહાન પ્રેમ તેણે દર્શાવ્યો તે તો તેનાં ઘણાં પાપ માફ કરાયાં છે તેની સાબિતી છે. પણ જેનું ઓછું માફ થાય છે, તે પ્રેમ પણ ઓછો કરે છે.” પછી ઈસુએ સ્ત્રીને કહ્યું, “તારાં પાપ માફ કરાયાં છે.” ભોજન સમારંભના આમંત્રિતો પોતાના મનમાં કહેવા લાગ્યા, “આ વળી કોણ છે કે જે પાપ પણ માફ કરે છે?” પણ ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસને લીધે તું ઊગરી ગઈ છે. શાંતિથી જા.” ત્યાર પછી ઈસુ શહેરમાં અને ગામડાંઓમાં ઈશ્વરના રાજ વિષેના શુભસંદેશનો પ્રચાર કરતા ફર્યા. બાર શિષ્યો તેમની સાથે ફરતા. કેટલીક સ્ત્રીઓ જેમને દુષ્ટાત્માઓથી અને રોગોમાંથી સાજી કરવામાં આવી હતી તેઓ પણ સાથે હતી. તેમનામાં, જેનામાંથી સાત અશુદ્ધ આત્માઓ કાઢવામાં આવ્યા હતા તે માગદાલાની મિર્યામ, હેરોદના કારભારી ખૂઝાની પત્ની, યોહાન્‍ના, સુસાન અને બીજી ઘણી સ્ત્રીઓ હતી. તેઓ પોતાની આવકમાંથી ઈસુ અને તેમના શિષ્યોને મદદ કરતી હતી. ઘણાં શહેરોમાંથી લોકો ઈસુ પાસે આવવા લાગ્યા, અને મોટો સમુદાય એકત્ર થયો, ત્યારે ઈસુએ ઉદાહરણ કહ્યું, “વાવનાર બી વાવવા માટે ચાલી નીકળ્યો. ખેતરમાં બી વેરતાં કેટલાંક રસ્તા પર પડયાં, ત્યાં તે પગ નીચે કચડાઈ ગયાં અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં. તેમાંના કેટલાંક બી ખડકાળ જમીન પર પડયાં, અને ફણગા તો ફૂટી નીકળ્યા, પણ જમીનમાં ભેજ ન હોવાથી સુકાઈ ગયાં. કેટલાંક બી કાંટાઝાંખરામાં પડયાં. છોડની સાથે કાંટાઝાંખરા પણ વયાં અને તેમણે છોડને દાબી દીધા. પરંતુ, કેટલાંક બી સારી જમીનમાં પડયાં; છોડ ઊગ્યા અને સારાં ફળ આવ્યાં, દરેક બીમાંથી સોગણા દાણા પાક્યા.” ઈસુએ કહ્યું, “તમારે સાંભળવાને કાન હોય, તો સાંભળો!” ઈસુના શિષ્યોએ તેમને એ ઉદાહરણનો અર્થ પૂછ્યો. ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વરના રાજનાં માર્મિક સત્યોનું જ્ઞાન તમને અપાયેલું છે, પણ બાકીનાઓને તો તે ઉદાહરણરૂપે જ મળે છે; જેથી તેઓ જુએ પણ તેમને સૂઝે નહિ, અને સાંભળે, પણ સમજી શકે નહિ. “ઉદાહરણનો અર્થ આવો છે: બી તો ઈશ્વરનો સંદેશ છે. રસ્તે પડેલાં બી સંદેશ સાંભળનારાં માણસો સૂચવે છે. તેઓ વિશ્વાસ કરીને ઉદ્ધાર ન પામે માટે શેતાન આવીને તેમનાં હૃદયોમાંથી સંદેશો લઈ જાય છે. ખડકાળ જમીન પર પડેલાં બી સંદેશો સાંભળીને તેને આનંદથી સ્વીકારી લેનાર માણસો સૂચવે છે. પણ તે સંદેશો તેમનામાં ઊંડો ઊતરતો નથી; તેઓ થોડોક સમય વિશ્વાસ કરે છે, પછી ક્સોટીનો સમય આવતાં તેમનું પતન થાય છે. કાંટાઝાંખરામાં પડેલાં બી એવા લોકોનું સૂચન કરે છે કે જેઓ સાંભળે તો છે, પણ આ દુનિયાની ચિંતાઓ, સમૃદ્ધિ અને મોજશોખ તેમને ધીરેધીરે રૂંધી નાખે છે અને તેમનાં ફળ કદી પાક્ં થતાં નથી. સારી જમીનમાં પડેલાં બી એવા લોકોનું સૂચન કરે છે કે જેઓ સાચા અને નિખાલસ દિલે સંદેશો સાંભળે છે અને તેમને ફળ આવે ત્યાં સુધી ટકી રહે છે. “દીવો સળગાવીને કોઈ તેને વાસણ નીચે ઢાંકતું નથી, અથવા ખાટલા નીચે મૂકતું નથી. એથી ઊલટું, તે તેને દીવી પર મૂકે છે, જેથી ઘરમાં આવનાર લોકો તેનો પ્રકાશ જોઈ શકે. જે કંઈ છૂપું છે તે પ્રગટ કરવામાં આવશે, અને જે ઢંક્યેલું છે તે શોધી કાઢવામાં આવશે, અને પ્રકાશમાં લાવવામાં આવશે. “તેથી તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધ રહો; કારણ, જેની પાસે કંઈક છે તેને વિશેષ અપાશે, ને જેની પાસે કંઈ નથી તેની પાસેથી જે થોડુંક તે પોતાનું હોવાનું ધારે છે તે પણ લઈ લેવાશે.” ઈસુનાં મા અને તેમના ભાઈઓ તેમને મળવા આવ્યાં, પણ ભીડને કારણે તેઓ તેમની પાસે જઈ શક્યાં નહિ. કોઈએ ઈસુને કહ્યું, “તમારાં મા અને ભાઈઓ બહાર ઊભાં છે અને તમને મળવા માગે છે.” પણ ઈસુએ જવાબ આપ્યો, “જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને તેનું પાલન કરે છે તે જ મારાં મા અને ભાઈઓ છે.” એક દિવસ ઈસુ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેઠા અને તેમને કહ્યું, “ચાલો, આપણે સરોવરને સામે કિનારે જઈએ.” તેથી તેઓ ઊપડયા. તેઓ હોડીમાં જતા હતા એવામાં ઈસુ ઊંઘી ગયા. સરોવર પર સખત પવન ફુંકાવા લાગ્યો અને હોડી પાણીથી ભરાઈ જવા લાગી, અને તેથી તેમાં બેઠેલા સૌ મોટા જોખમમાં મુક્યા. શિષ્યોએ ઈસુની પાસે આવીને તેમને જગાડયા અને કહ્યું, “ગુરુજી, ગુરુજી, અમારું આવી બન્યું, અમે તો મરી ગયા!” ઈસુએ ઊઠીને પવનને તેમજ ઊછળતાં મોજાંને આજ્ઞા કરી. તે બંધ થઈ ગયાં અને ગાઢ શાંતિ થઈ. પછી તેમણે શિષ્યોને કહ્યું, “તમારો વિશ્વાસ કયાં છે?” પણ તે આશ્ર્વર્ય પામ્યા અને ગભરાઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા, “આ કેવા પ્રકારની વ્યક્તિ છે? તે પવન તથા પાણીનાં મોજાંને હુકમ કરે છે, અને તેઓ તેમને આધીન પણ થાય છે!” તેઓ ગાલીલ પ્રદેશની સામે સરોવરને કિનારે આવેલા ગેરાસીનીઓના પ્રદેશમાં હંકારી ગયા. ઈસુ કિનારે ઊતર્યા કે તેમને દુષ્ટાત્માઓ વળગેલો નગરનો એક માણસ મળ્યો. લાંબા સમયથી તે કપડાં પહેરતો ન હતો અને ઘરમાં રહેતો ન હતો, પણ દફનાવવાની ગુફાઓમાં પડયો રહેતો. ઈસુને જોતાંની સાથે જ તેણે મોટો ઘાંટો પાડયો, તે તેમના પગ આગળ પડી ગયો, અને મોટે અવાજે બોલ્યો, “ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના પુત્ર! તમારે અને મારે શું લાગેવળગે? હું તમને આજીજી કરું છું કે મને પીડા ન દેશો!” તે એવું બોલ્યો, કારણ, ઈસુએ દુષ્ટાત્માને તે માણસમાંથી નીકળી જવાની આજ્ઞા કરી હતી. ઘણીવાર દુષ્ટાત્માએ એ માણસનો કબજો લીધો હતો, અને જોકે તે માણસને હાથેપગે સાંકળો અને બેડીઓથી બાંધીને પૂરી રાખવામાં આવતો હતો, તોપણ તે સાંકળો તોડી નાખતો અને દુષ્ટાત્મા તેને વેરાન પ્રદેશમાં દોરી જતો. ઈસુએ તેને પૂછ્યું, “તારું નામ શું છે?” તેણે જવાબ આપ્યો, “મારું નામ સેના છે.” કારણ, તે માણસમાં ઘણા દુષ્ટાત્માઓ હતા. દુષ્ટાત્માઓએ ઈસુને આજીજી કરી કે, તમે અમને ઊંડાણમાં ન મોકલશો. પાસે જ ભૂંડોનું એક મોટું ટોળું પર્વત પર ચરતું હતું. એ ભૂંડોમાં પ્રવેશ કરવા દેવા દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી, એટલે તેમણે તેમને જવા દીધા. તેથી દુષ્ટાત્માઓ એ માણસમાંથી નીકળીને ભૂંડોમાં પ્રવેશ્યા; આખું ટોળું ભેખડ પરથી સરોવરમાં ઢસડાઈ પડયું અને ડૂબી ગયું. જે કંઈ બન્યું તે જોઈને ભૂંડ ચરાવનારાઓ નાસી ગયા. તેમણે નગરમાં તથા પરામાં જઈને સમાચાર ફેલાવ્યા. જે થયું હતું તે જોવા લોકો નીકળી આવ્યા. તેઓ ઈસુ પાસે આવ્યા અને જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા હતા તેને ઈસુને ચરણે વસ્ત્ર પહેરીને સ્વસ્થ મને બેઠેલો જોયો; અને તેઓ બધા ભયભીત થયા. જેમણે એ જોયું હતું તેમણે તે માણસ કેવી રીતે સાજો થયો તે લોકોને કહી સંભળાવ્યું. પછી ગેરાસીનીઓના પ્રદેશના બધા લોકોએ ઈસુને ચાલ્યા જવા કહ્યું. કારણ, તેઓ ઘણા ગભરાઈ ગયા હતા. તેથી ઈસુ હોડીમાં બેસીને પાછા જવા લાગ્યા. જેનામાંથી દુષ્ટાત્માઓ નીકળી ગયા હતા તે માણસે ઈસુને વિનંતી કરી, “મને તમારી સાથે આવવા દો.” પણ ઈસુએ તેને વિદાય કરતાં કહ્યું, “તારે ઘેર પાછો જા અને ઈશ્વરે તારે માટે જે કંઈ કર્યું છે તે બધું કહે.” એ માણસ ગયો અને ઈસુએ તેને માટે જે કર્યું હતું તે આખા નગરમાં કહેતો કર્યો. ઈસુ સરોવરને બીજે કિનારે પાછા આવ્યા, ત્યારે લોકોએ તેમનો સત્કાર કર્યો. કારણ, તેઓ બધા તેમની રાહ જોતા હતા. તે વખતે યાઇરસ નામનો એક માણસ, જે સ્થાનિક ભજનસ્થાનનો અધિકારી હતો, તે આવ્યો. તે ઈસુના ચરણે નમી પડયો અને તેમને પોતાને ઘેર આવવા વિનંતી કરી. કારણ, બાર વર્ષની ઉંમરની તેની એકની એક દીકરી મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા ત્યારે ચારે બાજુ લોકોની ભારે પડાપડી હતી. ત્યાં એક સ્ત્રી હતી. તે બાર વર્ષથી રક્તસ્રાવના રોગથી પીડાતી હતી. તેણે સારવાર માટે પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું, પણ કોઈ તેને સાજી કરી શકાયું ન હતું. તે ભીડમાં ઈસુની પાછળ આવી અને તેમના ઝભ્ભાની કિનારીને અડકી, એટલે તરત જ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો. ઈસુએ પૂછયું, “મને કોણ અડકાયું?” બધાંએ કહ્યું કે અમે નથી અડક્યાં. પિતરે કહ્યું, “ગુરુજી, લોકો તમને ઘેરી વળ્યા છે અને તમારા પર પડાપડી કરે છે!” પણ ઈસુએ કહ્યું, “મને કોઈ અડકાયું છે. કારણ, મારામાંથી સામર્થ્ય નીકળ્યાની મને ખબર પડી છે.” સ્ત્રીએ જોયું કે તે પકડાઈ ગઈ છે, તેથી તે ધ્રૂજતી ધ્રૂજતી આવીને ઈસુને ચરણે નમી પડી. તે તેમને શા માટે અડકી હતી અને પોતે કેવી રીતે તરત જ સાજી થઈ ગઈ તે અંગે ત્યાં બધાની સમક્ષ તેણે ઈસુને બધું કહી દીધું. ઈસુએ તેને કહ્યું, “મારી દીકરી, તારા વિશ્વાસને કારણે તું સાજી થઈ છે. શાંતિથી જા.” ઈસુ બોલતા હતા એવામાં અધિકારીના ઘેરથી એક માણસ આવ્યો. તેણે યાઇરસને કહ્યું, “તમારી દીકરી મરણ પામી છે; હવે ગુરુજીને વધારે તસ્દી આપશો નહીં.” એ સાંભળીને ઈસુએ યાઇરસને કહ્યું, “ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ; એટલે તે જીવતી થશે.” તે ઘેર આવી પહોંચ્યા ત્યારે તેમણે પિતર, યોહાન અને યાકોબ, તથા છોકરીનાં માતાપિતા સિવાય કોઈને પોતાની સાથે અંદર આવવા દીધાં નહિ. બધાં ત્યાં છોકરી પાછળ રોતાં કકળતાં હતાં. ઈસુએ કહ્યું, “રડશો નહિ, છોકરી મરણ પામી નથી, પણ ઊંઘી ગઈ છે.” તેમણે તેમને હસી કાઢયા. કારણ, તેઓ જાણતા હતા કે છોકરી મરી ગઈ છે. પણ ઈસુએ છોકરીનો હાથ પકડીને તેને હાંક મારી, “છોકરી, ઊઠ!” તે જીવતી થઈ અને તરત જ ઊભી થઈ. ઈસુએ તેને કંઈક ખાવાનું આપવા તેમને આજ્ઞા કરી. તેના માતાપિતા તો આભાં જ બની ગયાં, પણ ઈસુએ તેમને જે બન્યું હતું તે જાહેર ન કરવાની આજ્ઞા કરી. ઈસુએ બાર પ્રેષિતોને એકત્ર કર્યા અને તેમને બધા દુષ્ટાત્માઓ કાઢવા અને રોગો મટાડવા શક્તિ તથા અધિકાર આપ્યાં. પછી તેમણે તેમને ઈશ્વરના રાજનો ઉપદેશ કરવા અને બીમારોને સાજા કરવા મોકલ્યા. તેમણે તેમને કહ્યું, “મુસાફરીમાં તમારી સાથે લાકડી, થેલી, ખોરાક, પૈસા કે વધારાનું ખમીશ એવું કંઈ લેતા નહિ. જ્યાં તમને આવકાર આપવામાં આવે તે જ ઘરમાં તે નગર છોડતાં સુધી રહેજો. જ્યાં લોકો તમને આવકાર ન આપે, તે નગરમાંથી નીકળી જજો, અને તેમની સમક્ષ ચેતવણીરૂપે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો.” શિષ્યો ચાલી નીકળ્યા. તેઓ ગામેગામ શુભસંદેશનો પ્રચાર કરતા હતા અને બધી જગ્યાએ બીમારોને સાજા કરતા હતા. ગાલીલના રાજા હેરોદે એ બધી બાબતો વિષે સાંભળ્યું. તે ઘણો મૂંઝવણમાં પડી ગયો; કારણ, કેટલાક લોકો કહેતા હતા, “બાપ્તિસ્મા કરનાર યોહાન ફરીથી જીવંત થયો છે.” બીજા કેટલાક કહેતા હતા, “એલિયા પ્રગટ થયો છે.” જ્યારે કેટલાક એમ કહેતા હતા, “પ્રાચીન કાળનો કોઈ સંદેશવાહક ફરીથી જીવતો થયો છે.” હેરોદે કહ્યું, “મેં યોહાનનું માથું કપાવી નાખ્યું હતું; પણ જેના વિષે હું આ બધી વાતો સાંભળું છું તે માણસ કોણ છે?” અને તેથી તેણે ઈસુને મળવાની કોશિશ કરી. પ્રેષિતો પાછા આવ્યા અને તેમણે પોતે કરેલા કાર્ય વિષે ઈસુને જણાવ્યું. ઈસુ પ્રેષિતોને પોતાની સાથે લઈને એકલા બેથસૈદા નામના નગરમાં ગયા. પણ લોકોના સમુદાયને ખબર પડતાં તેઓ તેમની પાછળ ગયા. ઈસુએ તેમને આવકાર આપ્યો, તેમને ઈશ્વરના રાજ અંગે કહ્યું અને બીમારોને સાજાં કર્યાં. સૂર્યાસ્ત સમયે બાર પ્રેષિતોએ ઈસુ પાસે આવીને કહ્યું, “લોકોને વિદાય કરો, જેથી તેઓ આસપાસનાં નગરો કે પરાંમાં જાય અને ખોરાક તથા રહેવાની વ્યવસ્થા કરે; કારણ, આ વેરાન જગા છે.” પણ ઈસુએ તેમને કહ્યું, “તમે જ તેમને ખોરાક આપો.” તેમણે જવાબ આપ્યો, “અમારી પાસે તો માત્ર પાંચ રોટલી અને બે માછલી છે. શું તમે ઇચ્છો છો કે અમે જઈને આ બધા લોકો માટે ખોરાક ખરીદી લાવીએ?” ત્યાં લગભગ પાંચ હજાર તો પુરુષો જ હતા. ઈસુએ શિષ્યોને કહ્યું, “લોકોને પચાસ પચાસના જૂથમાં બેસાડી દો.” શિષ્યોએ તે પ્રમાણે કર્યું અને બધાને બેસાડી દીધા. ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી, અને આકાશ તરફ જોઈ તેને માટે ઈશ્વરનો આભાર માન્યો. તેમણે તે ભાંગીને લોકોને વહેંચવા માટે શિષ્યોને આપી. સૌએ ધરાઈને ખાધું; વધેલા કકડા શિષ્યોએ એકઠા કર્યા તો બાર ટોપલીઓ ભરાઈ. એકવાર ઈસુ એકલા પ્રાર્થના કરતા હતા, ત્યારે શિષ્યો તેમની સાથે હતા. ઈસુએ તેમને પૂછયું, “હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?” તેમણે જવાબ આપ્યો, “કેટલાક કહે છે, ‘તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો.’ કેટલાક કહે છે, ‘એલિયા છો’ અને કેટલાક કહે છે. ‘તમે ફરીથી જીવંત થયેલા પ્રાચીનકાળના કોઈ સંદેશવાહક છો!” તેમણે તેમને પૂછયું, “પણ હું કોણ છું એ વિષે તમે શું કહો છો?” પિતરે જવાબ આપ્યો, “તમે ઈશ્વરના મસીહ છો.” પછી ઈસુએ એ વાત કોઈને ન કહેવા સખત તાકીદ કરી. વળી, તેમણે કહ્યું, “માનવપુત્રે ઘણાં દુ:ખ વેઠવાં પડશે, અને લોકોના આગેવાનો, મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો તેનો તિરસ્કાર કરશે. તેને મારી નાખવામાં આવશે અને તેને ત્રીજે દિવસે સજીવન કરવામાં આવશે.” પછી તેમણે બધાને કહ્યું, “જો કોઈ મારી પાછળ ચાલવા માગે તો તેણે પોતાની જાતને ભૂલી જવી, અને રોજરોજ પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરવું. કારણ, જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. માણસ આખી દુનિયા પ્રાપ્ત કરે, પણ તેના જીવનનો નાશ થાય તો તેને કંઈ લાભ ખરો? ના, જરા પણ નહિ. જો કોઈ મારે લીધે અથવા મારા સંદેશને લીધે શરમાતો હોય, તો માનવપુત્ર જયારે પોતાના, ઈશ્વરપિતાના તેમજ પવિત્ર દૂતોના મહિમામાં આવશે, ત્યારે તે તેનાથી શરમાશે. હું તમને સાચે જ કહું છું કે કેટલાક અહીં એવા છે જેઓ ઈશ્વરના રાજ્યને ન જુએ, ત્યાં સુધી મરણ પામશે નહિ.” એ વાતો કહ્યા પછી લગભગ આઠ દિવસ પછી ઈસુ પોતાની સાથે પિતર, યાકોબ અને યોહાનને લઈને પર્વત પર પ્રાર્થના કરવા ગયા. ઈસુ પ્રાર્થના કરતા હતા ત્યારે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્ત્રો ઊજળાં અને સફેદ થઈ ગયાં. એકાએક બે માણસો તેમની સાથે વાતો કરવા લાગ્યા. તેઓ મોશે અને એલિયા હતા. તેઓ સ્વર્ગીય મહિમામાં પ્રગટ થયા હતા અને યરુશાલેમમાં મરણ પામીને ઈસુ કેવી રીતે ઈશ્વરનો હેતુ થોડા જ સમયમાં પાર પાડશે તે અંગે ઈસુની સાથે વાત કરતા હતા. પિતર અને તેના સાથીદારો ભરઊંઘમાં પડયા હતા, પણ તેઓ જાગી ઊઠયા અને ઈસુનો મહિમા જોયો તથા તેમની સાથે બે માણસોને ઊભેલા જોયા. એ બે માણસો ઈસુ પાસેથી જતા હતા ત્યારે પિતરે કહ્યું, “ગુરુજી, આપણે અહીં રહીએ એ સારું છે. અમે ત્રણ તંબૂ બનાવીશું. એક તમારે માટે, એક મોશે માટે અને એક એલિયા માટે.” તે શું કહેતો હતો એનું તેને ભાન ન હતુ. તે હજી તો બોલતો હતો એવામાં એક વાદળે આવીને તેમના પર છાયા કરી. તેમના પર વાદળ આવ્યું તેથી શિષ્યો ગભરાઈ ગયા. વાદળમાંથી આકાશવાણી સંભળાઈ, “આ મારો પુત્ર છે, એને મેં પસંદ કર્યો છે, એનું સાંભળો!” વાણી પૂરી થઈ ત્યારે ત્યાં એકલા ઈસુ જ હતા. શિષ્યો એ બધી બાબત વિષે ચૂપ રહ્યા અને તેમણે જે જોયું હતું તે વિષે એ દિવસોમાં કોઈને કહ્યું નહિ. બીજે દિવસે તેઓ પર્વત પરથી ઊતર્યા, અને લોકોનો મોટો સમુદાય ઈસુને મળ્યો. ટોળામાંથી એક માણસે બૂમ પાડી, “ગુરુજી, મારા એકનાએક પુત્ર પર કૃપાદૃષ્ટિ કરો! એક દુષ્ટાત્મા તેને વળગે છે અને તે ચીસ પાડી ઊઠે છે. તે તેને આંકડી લાવી દે છે, અને તેથી તેના મોંએ ફીણ આવે છે. તે તેને ભાગ્યે જ ઇજા કર્યા સિવાય જવા દે છે! મેં તમારા શિષ્યોને એ દુષ્ટાત્મા કાઢવા વિનંતી કરી, પણ તેઓ તેમ કરી શક્યા નથી.” ઈસુએ જવાબ આપ્યો, “તમે લોકો કેવા અવિશ્વાસી અને હઠીલા છો! ક્યાં સુધી મારે તમારી સાથે રહેવું? ક્યાં સુધી મારે તમારું સહન કરવું?” પછી તેમણે તે માણસને કહ્યું, “તારા પુત્રને અહીં લાવ.” છોકરો આવી રહ્યો હતો તેવામાં દુષ્ટાત્માએ તેને જમીન પર પછાડયો અને તેને આંકડી આવવા લાગી. ઈસુએ દુષ્ટાત્માને ધમકાવ્યો, છોકરાને સાજો કર્યો અને તેના પિતાને સોંપ્યો. ઈશ્વરનું મહાન સામર્થ્ય જોઈને બધા લોકો આશ્ર્વર્યચકિત થઈ ગયા. ઈસુનાં કામો જોઈને લોકો આશ્ર્વર્ય પામતા હતા. એ સમયે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “હવે હું તમને જે કહેવાનો છું તે ભૂલશો નહિ! માનવપુત્ર માણસોના હાથમાં સોંપી દેવાશે.” પણ તેઓ એ વાતનો અર્થ સમજ્યા નહિ. તેઓ તે સમજી શકે નહિ માટે તે વાત તેમનાથી ગુપ્ત રાખવામાં આવી હતી, અને એ અંગે તેઓ ઈસુને પૂછતાં ગભરાતા હતા. પોતામાં સૌથી મોટું કોણ એ અંગે શિષ્યોમાં ચર્ચા ચાલી. તેમના વિચાર જાણીને ઈસુએ એક બાળકને લઈને પોતાની પાસે ઊભું રાખ્યું. અને તેમને કહ્યું, “મારે નામે આ બાળકનો જે આવકાર કરે છે તે મારો આવકાર કરે છે; અને જે મારો આવકાર કરે છે તે મને મોકલનારનો પણ આવકાર કરે છે. કારણ, તમારામાં જે સૌથી નાનો છે તે જ સૌથી મોટો છે.” યોહાન બોલી ઊઠયો, “ગુરુજી, અમે એક માણસને તમારે નામે દુષ્ટાત્મા કાઢતો જોયો, અને અમે તેને મના કરી, કારણ, તે આપણા પક્ષનો નથી.” ઈસુએ તેને કહ્યું, “તેને અટકાવશો નહિ; કારણ, જે તમારી વિરુદ્ધનો નથી, તે તમારા પક્ષનો છે.” ઈસુને આકાશમાં લઈ લેવાના દિવસો નજીક આવ્યા એટલે તેમણે યરુશાલેમ જવા મનમાં નિર્ધાર કર્યો. તેમણે પોતાની અગાઉ સંદેશકોને મોકલ્યા. તેઓ ચાલી નીકળ્યા અને ઈસુને માટે તૈયારી કરવા સમરૂનના એક ગામમાં પ્રવેશ્યા. પણ ત્યાં લોકો ઈસુને આવકારવા તૈયાર ન હતા. કારણ કે ઈસુ દેખીતી રીતે જ યરુશાલેમ તરફ જતા હતા. એ જોઈને યાકોબ અને યોહાને કહ્યું, “પ્રભુ, આપ કહો તો આકાશમાંથી અગ્નિ પડીને તેમનો નાશ કરે એવી આજ્ઞા અમે કરીએ?” ઈસુએ તેમના તરફ ફરીને તેમને ધમકાવ્યા. તેઓ બીજે ગામ ગયા. તેઓ રસ્તે થઈને જતા હતા એવામાં કોઈકે ઈસુને કહ્યું, “તમે જ્યાં જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.” ઈસુએ તેને કહ્યું, “શિયાળવાંને રહેવા માટે બોડ હોય છે અને પક્ષીઓને માળા હોય છે, પણ માનવપુત્રને આરામ કરવા માટે કોઈ સ્થળ નથી.” તેમણે બીજા એક માણસને કહ્યું, “મને અનુસર.” પણ એ માણસે કહ્યું, “પ્રભુ, પ્રથમ મને મારા પિતાજીને દફનાવવા જવા દો.” ઈસુએ જવાબ આપ્યો, “જેઓ મરેલાં છે તેઓ તેમનાં મરેલાંઓને ભલે દફનાવે, પણ તું જઈને ઈશ્વરના રાજનો પ્રચાર કર.” બીજા કોઈ માણસે કહ્યું, “પ્રભુ, મને પ્રથમ જઈને કુટુંબની વિદાય લઈ આવવા દો.” ઈસુએ તેને કહ્યું, “જે કોઈ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછું જુએ છે તે ઈશ્વરના રાજને માટે લાયક નથી.” એ પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને પસંદ કર્યા અને પોતે જે જે શહેર કે ગામ જવાના હતા, ત્યાં તેમણે પોતાની અગાઉ તેમને બબ્બેની જોડીમાં મોકલી આપ્યા. તેમણે તેમને કહ્યું, “ફસલ તો મબલક છે, પણ તે લણનારા મજૂરો થોડા જ છે. તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે તેની ફસલ લણવા માટે મજૂરો મોકલે. જાઓ, હું તમને વરુઓ મયે ઘેટાંના જેવા મોકલું છું. પૈસાની કોથળી, ઝોળી અથવા બુટ લેતા નહિ; રસ્તે જતાં કોઈને શુભેચ્છા પાઠવવા પણ થોભતા નહિ. જે ઘરમાં તમે જાઓ ત્યાં સૌથી પ્રથમ કહો: ‘આ ઘર પર શાંતિ થાઓ.’ જો કોઈ શાંતિપ્રિય માણસ ત્યાં રહેતો હશે તો તમારી શાંતિની શુભેચ્છા તેમના પર રહેશે; નહિ તો તમારી શાંતિની શુભેચ્છા તમારી પાસે પાછી આવશે. એના એ જ ઘરમાં રહો, અને તમને જે કંઈ આપવામાં આવે તે ખાઓપીઓ. કારણ, મજૂરને પોતાનો પગાર મળવો જોઈએ. એક ઘેરથી બીજા ઘેર જતા નહિ. તમે કોઈ નગરમાં જાઓ અને તમારો આવકાર થાય, તો તમને જે કંઈ પીરસવામાં આવે તે ખાઓ. એ નગરના બીમારોને સાજા કરો અને ત્યાંના લોકોને કહો, ‘ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોંચ્યું છે.’ પણ જ્યારે તમે કોઈ નગરમાં જાઓ અને ત્યાં તમારો આવકાર ન થાય, તો ત્યાંની શેરીઓમાં જઈને કહો, ‘અમારે પગે ચોંટેલી તમારા નગરની ધૂળ પણ અમે તમારી વિરુદ્ધ ખંખેરી નાખીએ છીએ; પણ એટલું યાદ રાખજો કે ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોચ્યું છે.’ હું તમને કહું છું કે ન્યાયના દિવસે ઈશ્વર એ નગર કરતાં સદોમ પર વધુ દયા દર્શાવશે.” “હાય રે ખોરાજીન, હાય હાય! હાય રે બેથસૈદા, હાય હાય! તમારે ત્યાં જે અદ્‍ભુત કાર્યો કરવામાં આવ્યાં તે જો તૂર અને સિદોનમાં કરાયાં હોત, તો ત્યાંના લોકો પોતાનાં પાપથી પાછા ફર્યા છે એમ દર્શાવવાને ક્યારનાય ટાટનાં વસ્ત્ર પહેરીને અને રાખ ચોળીને બેઠા હોત. ન્યાયને દિવસે ત્યાંના લોકો કરતાં તૂર અને સિદોનના લોકોની દશા વધુ સારી હશે. અને ઓ કાપરનાહૂમ તું પોતાને આકાશ સુધી ઊંચું કરવા માગતું હતું ને? અરે, તું ઊંડાણમાં ફેંકાશે!” ઈસુએ શિષ્યોને કહ્યું, “જે તમારું સાંભળે છે, તે મારું સાંભળે છે; જે તમારો અસ્વીકાર કરે છે, તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે, તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે.” સિત્તેર શિષ્યો આનંદ કરતા કરતા પાછા આવ્યા અને બોલી ઊઠયા, “પ્રભુ, અમે તમારે નામે દુષ્ટાત્માઓને આજ્ઞા કરી અને તેઓ પણ અમને આધીન થયા.” ઈસુએ તેમને કહ્યું, આકાશમાંથી પડતી વીજળીની માફક મેં શેતાનને પડતો જોયો. જુઓ, તમને મેં સાપ અને વીંછુઓ પર ચાલવાનો તેમ જ શત્રુની બધી સત્તા પર અધિકાર આપ્યો છે, અને તમને કોઈ કંઈ નુક્સાન કરી શકશે નહિ. પણ દુષ્ટાત્માઓ તમને આધીન થયા એટલા માટે જ હરખાશો નહિ; પણ એથી વિશેષ, આકાશમાં તમારાં નામ લખેલાં છે તેથી હરખાઓ.” એ જ સમયે ઈસુએ પવિત્ર આત્મા દ્વારા આનંદિત થઈને કહ્યું, “હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! હું તમારી સ્તુતિ કરું છું કે જ્ઞાનીઓ અને વિદ્વાનો તમે જે ગુપ્ત રાખ્યું હતું, તે તમે સાવ અબુધોને પ્રગટ કર્યું છે. હા, પિતા, તમે એ તમારી પોતાની પસંદગી અને રાજીખુશીથી કર્યું છે.” મારા પિતાએ મને સર્વસ્વ આપ્યું છે. ઈશ્વરપિતા સિવાય ઈશ્વરપુત્ર કોણ છે તે કોઈ જાણતું નથી, અને ઈશ્વરપુત્ર સિવાય તથા તે જેને પ્રગટ કરે તે સિવાય ઈશ્વરપિતા કોણ છે તે કોઈ જાણતું નથી.” પછી શિષ્યો તરફ ફરીને ઈસુએ તેમને ખાનગીમાં કહ્યું, “તમે જે જોઈ રહ્યા છો, તે જોનારી આંખોને ધન્ય છે. હું તમને કહું છું કે, તમે જે જોઈ રહ્યા છો તે જોવા ઈશ્વરના ઘણા સંદેશવાહકો તથા રાજવીઓ આતુર હતા, પણ તેઓ જોઈ શક્યા નહિ; અને તમે જે સાંભળી રહ્યા છો તે સાંભળવા તેઓ ઉત્સુક હતા, પણ સાંભળી શક્યા નહિ.” નિયમશાસ્ત્રના એક શિક્ષકે આવીને ઈસુની પરીક્ષા કરવાનો પ્રયત્ન કર્યો. તેણે પૂછયું, “ગુરુજી, સાર્વકાલિક જીવન મેળવવા માટે મારે શું કરવું જોઈએ?” ઈસુએ જવાબ આપ્યો, “ધર્મશાસ્ત્ર શું કહે છે? તું તેનો શો અર્થ ઘટાવે છે?” એ માણસે જવાબ આપ્યો, “તારે પ્રભુ તારા ઈશ્વર પર તારા પૂરા દયથી, તારા પૂરા જીવથી, તારી પૂરી તાક્તથી, અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો; અને તારા માનવબધું પ્રત્યે તારી જાત પર કરે છે તેટલો પ્રેમ કરવો.” ઈસુએ કહ્યું, “તારો જવાબ સાચો છે, તે પ્રમાણે વર્ત એટલે તું સાર્વકાલિક જીવન મેળવશે.” પરંતુ નિયમશાસ્ત્રના શિક્ષકે પોતાને યથાર્થ ઠેરવવા ફરીથી ઈસુને પૂછયું, “મારો માનવબધું કોણ?” ઈસુએ ઉદાહરણ આપ્યું, “એક માણસ યરુશાલેમથી યરીખો જતો હતો. ત્યારે ગુંડાઓએ તેના પર હુમલો કર્યો, તેનાં કપડાં ઉતારી લીધાં, તેને માર માર્યો અને અધમૂઓ કરીને ચાલ્યા ગયા. સંજોગવશાત્ એક યજ્ઞકાર એ રસ્તે થઈને જતો હતો. તેણે પેલા માણસને જોયો અને તે રસ્તાની બીજી બાજુએ ચાલતો થયો. એ જ પ્રમાણે એક લેવી કુળનો માણસ પણ ત્યાં થઈને પસાર થયો અને એ માણસને જોઈને તે પણ બીજી બાજુએ ચાલતો થયો. પણ એક સમરૂની મુસાફરી કરતો કરતો ત્યાં આવી પહોચ્યો. એ માણસને જોઈને તેને દયા આવી. તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દારૂ રેડીને પાટાપિંડી કરી; પછી પોતાના ગધેડા પર એ માણસને બેસાડીને તેને ઉતારામાં લઈ ગયો અને ત્યાં તેણે તેની સારવાર કરી. બીજે દિવસે તેણે બે દીનાર કાઢીને ધર્મશાળાના માલિકને આપ્યા અને તેને કહ્યું, ‘તમે એમની સેવાચાકરી કરજો અને હું આ રસ્તે થઈને પાછો ફરું ત્યારે તેને માટે જે કંઈ વધારે ખર્ચ થાય તે હું આપીશ.” અંતમાં ઈસુએ પૂછયું, “તારા અભિપ્રાય પ્રમાણે ગુંડાઓના હુમલાનો ભોગ બનેલ માણસના માનવબધું તરીકે એ ત્રણમાંથી કોણ વર્ત્યું?” નિયમશાસ્ત્રના શિક્ષકે કહ્યું, “જેણે તેના પર દયા કરી તે.” ઈસુએ કહ્યું, “તો પછી તું પણ જઈને એ જ પ્રમાણે કર.” ઈસુ અને તેમના શિષ્યો મુસાફરી કરતા કરતા એક ગામમાં આવ્યા. ત્યાં માર્થા નામની એક સ્ત્રીએ ઈસુને પોતાને ઘેર આવકાર આપ્યો. તેની બહેનનું નામ મિર્યામ હતું. તે ઈસુના ચરણ આગળ બેસીને તેમની બોધવાણી સાંભળતી હતી. બધું ક્મ માર્થાને જ કરવાનું હોઈ તે હાંફળીફાંફળી થઈ ગઈ. તેથી તેણે ઈસુની પાસે આવીને કહ્યું, “પ્રભુ, મારી બહેને સરભરાનું બધું ક્મ મારે માથે નાખ્યું છે એની તમને કંઈ દરકાર નથી? તેને કહો કે, તે આવીને મને મદદ કરે!” પ્રભુએ તેને જવાબ આપ્યો, “માર્થા, માર્થા, તું ઘણી બાબતોની ચિંતા કરે છે અને બાવરી બની જાય છે. પણ એક વાત જરૂરી છે અને મિર્યામે પસંદ કરેલો એ સારો હિસ્સો તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ.” એકવાર ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. તેઓ પ્રાર્થના કરી રહ્યા, એટલે તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, “પ્રભુ, જેમ યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું, તેમ તમે પણ અમને પ્રાર્થના કરતાં શીખવો.” ઈસુએ તેમને કહ્યું, “જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે કહો કે, હે પિતાજી, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ, તમારું રાજ્ય આવો, અમારો જરૂરી ખોરાક અમને દરરોજ આપો, અમારાં પાપ માફ કરો; કારણ, જેઓ અમારી વિરુદ્ધ અપરાધ કરે છે, તે બધાને અમે માફ કરીએ છીએ, અને અમને ક્સોટીમાં પડવા ન દો.” વળી, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “ધારો કે તમારામાંનો કોઈ પોતાના મિત્રના ઘેર મધરાતે જઈને તેને કહે, ‘હે મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ. મારો એક મિત્ર મુસાફરીએ નીકળ્યો છે અને હમણાં જ મારે ઘેર રોકાઈ ગયો છે. તેને પીરસવા માટે મારી પાસે કંઈ જ નથી.’ અને ધારો કે તમારો મિત્ર અંદરથી જવાબ આપે, ‘મને હેરાન ન કર! મેં બારણું બંધ કરી દીધું છે અને મારાં છોકરાં સાથે હું પથારીમાં સૂઈ ગયો છું. તને કંઈ પણ આપવા હું ઊઠી શકું તેમ નથી.’ હું તમને કહું છું કે તે તમારો મિત્ર હોવાને લીધે ઊઠીને રોટલી નહિ આપે, તેમ છતાં, તમે આગ્રહથી માગતાં શરમાતા નથી માટે તે ઊઠશે અને તમારે જે જોઈએ છે તે આપશે. હું તમને પણ એમ જ કહું છું. માગો, એટલે તમને મળશે; શોધો, એટલે તમને જડશે; ખટખટાઓ, એટલે તમારે માટે બારણું ઉઘાડવામાં આવશે. જે કોઈ માગે છે તે દરેકને મળશે, અને જે શોધે છે તેને જડશે, અને જે ખટખટાવે છે તેને માટે બારણું ઉઘાડવામાં આવશે. તમ પિતાઓ પાસે તમારો પુત્ર માછલી માગે તો શું તમે સાપ આપશો? અથવા તે ઇંડું માગે તો તેને વીંછી આપશો? તમે ભૂંડા હોવા છતાં તમારાં બાળકોને સારી ચીજવસ્તુઓ આપી જાણો છો, તો પછી આકાશમાંના પિતા પાસે જેઓ માગે તેમને તે પવિત્ર આત્મા આપશે એ કેટલું વિશેષ સાચું છે!” એક મૂંગા બનાવી દેનાર દુષ્ટાત્માને ઈસુ કાઢતા હતા. દુષ્ટાત્મા નીકળી ગયો, અને પેલો માણસ બોલવા લાગ્યો. લોકોનું ટોળું તો આભું જ બની ગયું. પણ કેટલાક લોકોએ કહ્યું, “દુષ્ટાત્માઓનો સરદાર બાલઝબૂલ તેને દુષ્ટાત્માઓ કાઢવાની શક્તિ આપે છે.” બીજા કેટલાક તેમને સપડાવવા માગતા હતા, તેથી ઈસુને ઈશ્વરની અનુમતિ છે એમ દર્શાવવા તેમણે તેમને ચમત્કાર કરી બતાવવા કહ્યું. પણ ઈસુ તેમના વિચારો જાણતા હોવાથી તેમણે તેમને કહ્યું, “જો કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે ઝાઝું ટકતું નથી. એ જ પ્રમાણે જો કુટુંબમાં ભાગલા પડી જાય તો તેનું પતન થાય છે. તેથી જો શેતાનના રાજ્યમાં અરસપરસ લડતાં જૂથો હોય તો તે કેવી રીતે ટકી શકે? પણ તમે કહો છો કે બાલઝબૂલ મને શક્તિ આપે છે તેથી હું દુષ્ટાત્માઓ કાઢું છું. વળી, જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓ કાઢું છું, તો તમારા અનુયાયીઓ કોની મદદથી કાઢે છે? તમારા પોતાના અનુયાયીઓ જ સાબિત કરે છે કે તમે જુઠ્ઠા છો. પણ જો, હું ઈશ્વરના સામર્થ્યથી દુષ્ટાત્માઓને કાઢું છું; તો ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોંચ્યું છે એની એ સાબિતી છે. “બળવાન માણસ શસ્ત્રસજ્જ થઈ પોતાના ઘરને સાચવતો હોય, તો તેની માલમિલક્ત સહીસલામત રહે છે. પણ જ્યારે એનાથી વધારે બળવાન માણસ તેના પર હુમલો કરી તેને હરાવે છે ત્યારે જે શસ્ત્રો પર તે આધાર રાખે છે તે તે ઉતારી લે છે, અને લૂંટેલી મિલક્ત વહેંચે છે. જે મારા પક્ષનો નથી, તે સાચે જ મારી વિરુદ્ધ છે; સંગ્રહ કરવામાં જે મારી મદદ કરતો નથી, તે તેને વિખેરી નાખે છે. “માણસમાંથી બહાર નીકળ્યા પછી અશુદ્ધ આત્મા વિશ્રામસ્થાન શોધતો શોધતો વેરાન પ્રદેશમાં ભટક્યા કરે છે. જો તેને એવું સ્થાન ન મળે, તો તે કહે છે, ‘મારા જે ઘરમાંથી હું નીકળી આવ્યો છું તેમાં હું પાછો જઈશ.’ પછી તે પાછો જાય છે. ત્યારે તે તેને સાફસૂફ કરેલું તથા વ્યવસ્થિત જુએ છે. પછી તે બહાર જઈને પોતાના કરતાં વધારે ભૂંડા એવા સાત અશુદ્ધ આત્માઓને બોલાવી લાવે છે અને તેઓ આવીને ત્યાં વસવાટ કરે છે. એમ થતાં માણસની આખરી સ્થિતિ તેની શરૂઆતની સ્થિતિ કરતાં વધારે ભૂંડી થાય છે.” ઈસુએ એ કહ્યું ત્યારે ટોળામાંથી એક સ્ત્રી મોટેથી પોકારી ઊઠી, “તમે જેના ઉદરે જન્મ્યા અને જેના સ્તને દૂધપાન કર્યું તે સ્ત્રીને ધન્ય છે!” પણ ઈસુએ જવાબ આપ્યો, “એના કરતાંય ઈશ્વરનો સંદેશ સાંભળીને તેને આધીન થનારાઓને ધન્ય છે.” લોકોનાં ટોળાં ઈસુની આજુબાજુ ઊમટયાં એટલે ઈસુ કહેવા લાગ્યા, “આ જમાનાના લોકો કેવા દુષ્ટ છે! તેઓ નિશાની માગે છે! પણ યોનાની નિશાની સિવાય તેમને બીજી કોઈ નિશાની આપવામાં આવશે નહિ. જેમ યોના નિનવેહના લોકો માટે નિશાનીરૂપ હતો તેમ માનવપુત્ર પણ આ જમાનાના લોકો માટે નિશાનીરૂપ બની રહેશે. ન્યાયકાળને દિવસે દક્ષિણની રાણી ઊઠશે અને વર્તમાન સમયના લોકોને દોષિત ઠરાવશે; કારણ, ધરતીના છેડેથી તે શલોમોનનું જ્ઞાનપૂર્ણ શિક્ષણ સાંભળવા આવી હતી. પણ હું તમને કહું છું કે તમારી સમક્ષ એક વ્યક્તિ છે કે જે શલોમોનના કરતાં પણ મહાન છે. ન્યાયકાળને દિવસે નિનવેહના લોકો ઊઠીને તમને દોષિત ઠરાવશે. કારણ, યોનાનો બોધ સાંભળીને તેઓ પોતાનાં પાપથી પાછા ફર્યા. પણ હું તમને કહું છું કે અહીં એક વ્યક્તિ છે કે જે યોના કરતાં પણ વધુ મહાન છે! “દીવો સળગાવીને કોઈ તેને ભોંયરામાં કે વાસણ નીચે મૂકતું નથી. એથી ઊલટું, તે તેને દીવી પર મૂકે છે; જેથી અંદર આવનાર સૌ કોઈ પ્રકાશ પામે. તમારી આંખો તો શરીરના દીવા સમાન છે. જો તમારી આંખો નિર્મળ હોય, તો તમારું આખું શરીર પ્રકાશમય હશે; પણ જો તમારી આંખો મલિન હોય તો તમારું આખું શરીર અંધકારમય બની રહેશે. માટે તમારામાં જે પ્રકાશ છે તે અંધકારરૂપ ન થાય તેની કાળજી રાખો. જો તમારું આખું શરીર પ્રકાશમય હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારમય ન હોય તો દીવો પોતાના પૂર્ણ પ્રકાશથી તમારા પર પ્રકાશતો હોય તેમ, તમારું આખું શરીર ઝળહળી ઊઠશે.” ઈસુએ પ્રવચન પૂરું કર્યું એટલે એક ફરોશીએ તેમને જમવાનું આમંત્રણ આપ્યું. તેથી તેઓ તેને ઘેર ગયા અને જમવા બેઠા. ઈસુએ જમતાં પહેલાં હાથ ધોયા નહિ, એ જોઈને ફરોશીને આશ્ર્વર્ય થયું. તેથી પ્રભુએ ફરોશીને કહ્યું, “તમે ફરોશીઓ થાળીવાટકા બહારથી જ સાફ કરો છો. પણ આંતરિક રીતે તો તમે લોભ અને દુષ્ટતાથી ભરેલા છો. અરે મૂરખાઓ, બહારની બાજુ બનાવનાર ઈશ્વરે અંદરની બાજુ પણ બનાવી નથી શું! પણ તમારા થાળીવાટકાઓમાં જે છે તે ગરીબોને દાનમાં આપો એટલે બધું તમારે માટે સ્વચ્છ થઈ જશે. “ઓ ફરોશીઓ, તમારી કેવી દુર્દશા થશે? તમે ફુદીનો, કોથમીર અને બીજી શાકભાજીનો દસમો ભાગ ઈશ્વરને આપો છો. પણ તમે ન્યાય અને ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિષે બેદરકારી સેવો છો. તમારે આ કાર્યો કરવાનાં છે અને પેલાં કાર્યો પ્રત્યે બેદરકારી રાખવાની નથી. ઓ ફરોશીઓ, તમારી કેવી દુર્દશા થશે! તમને ભજનસ્થાનોમાં મુખ્ય આસનો મળે અને જાહેર સ્થાનોમાં લોકો સલામો ભરે તેવું તમે ઈચ્છો છો. તમારી કેવી દુર્દશા થશે! લોકો જેના પર અજાણતાં ચાલે તેવી ગંદી કબરના જેવા તમે છો.” નિયમશાસ્ત્રના એક શિક્ષકે ઈસુને કહ્યું, “ગુરુજી, આવું કહીને તમે અમારું પણ અપમાન નથી કરતા?” ઈસુએ જવાબ આપ્યો, “ઓ નિયમશાસ્ત્રના શિક્ષકો, તમારી પણ કેવી દુર્દશા થશે! તમે માણસોની પીઠ પર ઊંચકી શકાય નહિ એવો ભારે બોજો લાદો છો, પણ તમે પોતે એમને એ બોજ ઊંચકાવવા આંગળી પણ અડકાડતા નથી. તમારી કેવી દુર્દશા થશે! જે સંદેશવાહકોને તમારા પૂર્વજોએ મારી નાખ્યા હતા, તે જ સંદેશવાહકોની કબરો તમે ચણાઓ છો. એમ તમે જાતે જ કબૂલ કરો છો કે તમારા પૂર્વજોએ જ સંદેશવાહકોને મારી નાખ્યા હતા અને તમે તેમની કબરો શણગારો છો. આ જ કારણને લીધે ઈશ્વરના જ્ઞાને કહ્યું, ‘હું તેમની પાસે સંદેશવાહકો અને પ્રેષિતોને મોકલીશ; તેઓ તેમાંના કેટલાકને મારી નાખશે; અને બીજા કેટલાકની સતાવણી કરશે.’ પરિણામે, સૃષ્ટિના આરંભથી એટલે કે, હાબેલના ખૂનથી માંડીને ઝખાર્યા, જેને યજ્ઞવેદી અને પવિત્રસ્થાન વચ્ચે મારી નાખવામાં આવ્યો તેના ખૂન સુધી થઈ ગયેલા બધા સંદેશવાહકોના ખૂનની શિક્ષા આ જમાનાના લોકોને થશે. હા, હું તમને કહું છું કે એ બધાના ખૂનની શિક્ષા આ જમાના લોકોને થશે. “નિયમશાસ્ત્રના શિક્ષકો, તમારી કેવી દુર્દશા થશે! જ્ઞાનરૂપી ઘરનું બારણું ઉઘાડવાની ચાવી તમે તમારી પાસે રાખી લીધી છે; તમે તેમાં પ્રવેશ કરતા નથી, અને બીજા જેઓ પ્રવેશ કરવા માંગે છે, તેમને તમે અટકાવો છો!” ઈસુ ત્યાંથી નીકળ્યા ત્યારે નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ ઈસુની આકરી ટીકા કરવા લાગ્યા અને તેઓ ઘણી બાબતો અંગે પ્રશ્ર્નો પૂછીને ઈસુ કંઈક ખોટું બોલે, તો તેમને સપડાવવા તરકીબ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તે સમયે એકત્ર થયેલા હજારો લોકો એકબીજા પર પડાપડી કરી પગ કચરતા હતા, ત્યારે ઈસુએ ખાસ કરીને પોતાના શિષ્યોને કહ્યું, “ફરોશીઓના ખમીરથી, એટલે કે તેમના દંભથી સાવધ રહો. જે કંઈ ઢંક્યેલું છે તે ખુલ્લું કરવામાં આવશે, અને બધાં રહસ્યો જાહેર કરવામાં આવશે. તેથી તમે જે રાતના અંધકારમાં બોલ્યા છો, તે દિવસના પ્રકાશમાં જાહેર રીતે સંભળાશે. અને તમે માણસોના કાનમાં જે બંધબારણે ગણગણ્યા છો, તે ઘરના છાપરા પરથી પોકારાશે. “મિત્રો, હું તમને કહું છું કે જેઓ શરીરને મારી નાખે છે પણ તે પછી બીજું કંઈ નુક્સાન કરી શક્તા નથી તેમનાથી ડરશો નહિ. તમારે કોનાથી ડરવું તે હું તમને બતાવું છું: મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાની જેમને સત્તા છે તે ઈશ્વરથી ડરો. હું તમને કહું છું કે, માત્ર તેમનાથી ડરો! “શું પાંચ ચકલીઓ બે પૈસામાં વેચાતી નથી? છતાં એમાંની એકપણ ઈશ્વરના ધ્યાન બહાર નથી. અરે, તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. તેથી ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે વધુ મૂલ્યવાન છો! “હું તમને કહું છું: જે કોઈ જાહેરમાં એવું કબૂલ કરે કે, હું ખ્રિસ્તનો છું, તો માનવપુત્ર પણ ઈશ્વરના દૂતો સમક્ષ તેનો સ્વીકાર કરશે; પણ જે કોઈ જાહેરમાં એવું કબૂલ કરે કે, હું ખ્રિસ્તનો નથી, તો માનવપુત્ર પણ ઈશ્વરના દૂતો સમક્ષ તેનો ઇનકાર કરશે. જો કોઈ માનવપુત્રની નિંદા કરે તો તેને ક્ષમા મળી શકે છે; પણ પવિત્ર આત્માની નિંદા કરે તો તેને ક્ષમા કરવામાં આવશે નહિ. “જ્યારે તેઓ તમને યહૂદીઓનાં ભજનસ્થાનોમાં અથવા રાજ્યપાલો કે શાસકો આગળ ન્યાયચુકાદા માટે બળજબરીથી લઈ જાય, ત્યારે સ્વબચાવ કરવા કેવી રીતે જવાબ આપશો અથવા શું કહેશો તે અંગે ચિંતા કરશો નહિ; કારણ, તમારે શું કહેવું તે પવિત્ર આત્મા તમને તે જ ઘડીએ શીખવશે.” ટોળામાંથી કોઈકે ઈસુને કહ્યું, “ગુરુજી, મારા ભાઈને કહો કે, વારસામાં મળતી મિલક્તમાંનો મારો ભાગ મને આપી દે.” ઈસુએ તેને કહ્યું, “અરે મિત્ર, ન્યાય કરવાનો અથવા તમારા બે વચ્ચે મિલક્ત વહેંચી આપવાનો અધિકાર મને કોણે આપ્યો?” પછી તેમણે બધાને કહ્યું, “જાગૃત રહો, અને સર્વ પ્રકારના લોભથી પોતાને સંભાળો, કારણ, કોઈ માણસ પાસે ગમે તેટલી અઢળક સંપત્તિ હોય તોપણ એ સંપતિ કંઈ એનું જીવન નથી.” પછી ઈસુએ તેમને ઉદાહરણ આપ્યું, “એકવાર એક ધનવાન માણસના ખેતરમાં મબલક પાક ઊતર્યો. તે પોતાના મનમાં વિચારવા લાગ્યો, ‘મારું બધું અનાજ ભરી રાખવાને મારી પાસે જગ્યા નથી. હવે કરવું શું?’ તેણે પોતાના મનમાં વિચાર્યું, ‘હું આમ કરીશ: મારા કોઠાર તોડી નંખાવીશ અને એથી વધારે મોટા કોઠાર બંધાવીશ, અને ત્યાં અનાજ અને માલમિલક્ત રાખીશ. પછી મારી જાતને કહીશ: હે જીવ! ઘણાં વર્ષો માટે તારે જે વસ્તુઓની જરૂર છે તે તારી પાસે સંગ્રહ કરેલી છે. હવે એશઆરામ કર, અને ખાઈપીને મજા કર!’ પણ ઈશ્વરે તેને કહ્યું, ‘અરે મૂર્ખ! આજે રાત્રે જ તું મરી જઈશ, તો આ જે બધી વસ્તુઓ તેં તારે માટે સંઘરી રાખી છે, તે કોને મળશે?” ઈસુએ અંતમાં કહ્યું, “જે કોઈ પોતાને માટે સંપત્તિ એકઠી કરે છે, પણ ઈશ્વરની દૃષ્ટિમાં સંપત્તિવાન નથી, તેની આવી જ દશા થાય છે.” પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “એટલા જ માટે હું તમને કહું છું કે તમારું જીવન ટકાવવા જરૂરી ખોરાકની અથવા તમારા શરીરને માટે જોઈતાં વસ્ત્રોની ચિંતા ન કરો. જીવન ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં વધુ મૂલ્યવાન છે. કાગડાઓનો વિચાર કરો! તે નથી વાવતા કે નથી કાપણી કરતા; તેમની પાસે નથી કોઠાર કે ભંડાર; છતાં ઈશ્વર તેમને ખોરાક પૂરો પાડે છે! પંખીઓ કરતાં તમારું મૂલ્ય ઘણું મોટું છે! ચિંતા કરીને તમારામાંનો કોણ થોડીક ક્ષણો પણ વધુ જીવી શકે છે? જો તમે આવી નજીવી બાબત પણ કરી શક્તા નથી, તો પછી બીજી બાબતોની ચિંતા શા માટે કરો છો? વનવગડામાં ફૂલઝાડ કેવાં વધે છે તેનો વિચાર કરો. તેઓ નથી ખેતીક્મ કરતાં કે નથી પોતાને માટે વસ્ત્રો બનાવતાં. હું તમને કહું છું કે શલોમોન જેવા વૈભવી રાજા પાસે પણ આ એક ફૂલને હોય છે એવાં સુંદર વસ્ત્રો ન હતાં. એ માટે જે ઘાસ આજે ખેતરમાં છે અને કાલે ચૂલામાં બાળી નંખાય છે તેને જો ઈશ્વર આટલું સજાવે છે, તો પછી ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને વસ્ત્રો પહેરાવવાની એથી પણ વિશેષ કાળજી નહિ રાખે? તમે શું ખાશો કે પીશો એ બાબતની ચિંતા કર્યા કરશો નહિ. કારણ, દુન્યવી લોકો એ બધી વસ્તુઓની ચિંતા કર્યા કરે છે. તમને એ બધી વસ્તુઓની જરૂર છે એ તો તમારા ઈશ્વરપિતા જાણે છે. તેથી પ્રથમ ઈશ્વરના રાજની શોધ કરો એટલે ઈશ્વર તમને એ બધી વસ્તુઓ પૂરી પાડશે. “ઓ નાના ટોળા, તું ગભરાઈશ નહિ, કારણ, તારા પિતાની ઇચ્છા તને રાજ્ય આપવાની છે. તમારી સર્વ સંપત્તિ વેચી દો, અને ઊપજેલા પૈસા દાનમાં આપો. તમારે માટે ર્જીણ ન થાય તેવી નાણાંની કોથળીઓ મેળવો અને આકાશમાં તમારું ધન એકઠું કરો. ત્યાં તે ખૂટશે નહિ; કારણ, કોઈ ચોરને તે હાથ લાગતું નથી, કે નથી કીડા તેનો નાશ કરતા. કારણ, જ્યાં તમારું ધન છે ત્યાં જ તમારું મન પણ રહેશે. “લગ્નસમારંભમાં ગયેલા શેઠની રાહ જોઈ રહેલા નોકરોની માફક તમે તમારી કમરો કાસીને અને તમારા દીવા પેટાવીને તૈયાર રહો. જ્યારે શેઠ આવે છે અને બારણું ખટખટાવે છે ત્યારે તેઓ તરત જ તેને માટે બારણું ખોલે છે. શેઠ પાછો આવે ત્યારે જાગતા હોય તેવા નોકરોને ધન્ય છે! હું તમને સાચે જ કહું છું કે શેઠ પોતે તેમનો કમરપટ્ટો બાંધશે, તેમને ભોજન કરવા બેસાડશે, અને તેમને જમાડશે. વળી, જો તે મધરાતે અથવા એથી પણ મોડો આવે અને છતાંય તેમને તૈયાર જુએ તો એ નોકરોને ધન્ય છે! યાદ રાખો, ચોર ક્યારે આવશે તે સમય જો ઘરનો માલિક જાણતો હોય, તો તે ચોરને તેના ઘરમાં ચોરી કરવા નહિ દે. એટલે તમે પણ તૈયાર રહો, કારણ માનવપુત્ર તમે ધારતા નહિ હો એવા સમયે આવશે.” પિતરે કહ્યું, “પ્રભુ, આ ઉદાહરણ તમે અમને ઉદ્દેશીને કહ્યું છે કે પછી બધાને માટે છે?” પ્રભુએ જવાબ આપ્યો, “વિશ્વાસુ અને સમજુ કારભારી કોણ છે? શેઠ ઘરકુટુંબ ચલાવવા અને બીજા નોકરોને યોગ્ય સમયે તેમના ખોરાકનો હિસ્સો આપવા જેની નિમણૂક કરે તે જ. તેનો શેઠ પાછો આવે ત્યારે તેને સોંપેલું કાર્ય કરતો જુએ તો તે નોકરને ધન્ય છે! હું તમને સાચે જ કહુ છું: શેઠ આ નોકરની હસ્તક પોતાની સર્વ સંપત્તિ મૂકશે. પણ જો તે નોકર પોતાના મનમાં કહે, ‘મારો શેઠ આવતાં વાર લગાડે છે,’ અને બીજાં નોકરો અને સ્ત્રી નોકરોને મારવા લાગે અને ખાઈપીને દારૂડિયો બને, તો પછી પેલો નોકર ધારતો ન હોય અને જાણતો ન હોય એવા સમયે તેનો શેઠ એક દિવસે પાછો આવશે. શેઠ તેના કાપીને ટુકડે ટુકડા કરી નાખશે; અને નાસ્તિકોના જેવા તેના હાલ કરશે.” “શેઠ તેની પાસે શાની અપેક્ષા રાખે છે તે જાણતો હોવા છતાં જે નોકર તૈયાર રહેતો નથી અને તેના શેઠની ઇચ્છા પ્રમાણે કરતો નથી, તેને ભારે શિક્ષા થશે. પણ જે નોકર પોતાનો શેઠ શું ઇચ્છે છે તે જાણતો નથી અને કંઈક શિક્ષા થાય તેવું કરી બેસે તો તેને હળવી શિક્ષા થશે. જેને વધુ આપવામાં આવે છે, તેની પાસેથી વધારેની અપેક્ષા રખાય છે. જે માણસને પુષ્કળ આપવામાં આવે છે તેની પાસેથી ઘણું માગવામાં આવશે. “હું પૃથ્વી પર આગ સળગાવવા આવ્યો છું. જો તે સળગી ચૂકી હોય તો મારે બીજું શું જોઈએ? મારે એક બાપ્તિસ્મા પામવાનું છે; એ પરિપૂર્ણ થાય ત્યાં સુધી હું કેવી ભીંસમાં છું! શું તમે એમ ધારો છો કે હું પૃથ્વી પર શાંતિ સ્થાપવા આવ્યો છું? હું તમને કહું છું કે શાંતિ સ્થાપવા તો નહિ, પણ પક્ષાપક્ષી ઊભી કરવા હું આવ્યો છું. હવેથી કુટુંબના પાંચ સભ્યોમાં ભાગલા પડશે; ત્રણ બેનો વિરોધ કરશે, અને બે ત્રણનો વિરોધ કરશે. પિતા પુત્રનો વિરોધ કરશે અને પુત્ર પિતાનો વિરોધ કરશે; મા પુત્રીનો વિરોધ કરશે અને પુત્રી માનો વિરોધ કરશે; સાસુ વહુનો વિરોધ કરશે અને વહુ સાસુનો વિરોધ કરશે.” ઈસુએ લોકોને કહ્યું, “પશ્ર્વિમમાંથી તમે વાદળ ચડતું જુઓ છો કે તરત જ કહો છો, ‘વરસાદ પડશે,’ અને એમ જ બને છે. વળી, દક્ષિણનો પવન વાતો જોઈને તમે કહો છો, ‘લૂ વાવાની,’ અને એમ જ બને છે. ઓ દંભીઓ! પૃથ્વી અને આકાશ જોઈને તેમનું સ્વરૂપ તમે પારખો છો; તો પછી તમે વર્તમાન સમયના બનાવોના અર્થ કેમ પારખી શક્તા નથી? “સારું કરવું શું છે તેનો ન્યાય તમે પોતે જ કેમ કરતા નથી? જો કોઈ માણસ તમારી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરે અને તમને કોર્ટમાં લઈ જાય, તો તમે હજુ રસ્તામાં હો, ત્યાં સુધીમાં તેની સાથે સમાધાન કરી નાખવા માટે બનતું બધું કરો. કદાચ, તે તમને ન્યાયાધીશ પાસે ખેંચી જાય, ન્યાયાધીશ તમને પોલીસને સોંપે અને પોલીસ તમને જેલમાં પૂરે. હું તમને કહું છું કે પૂરેપૂરો દંડ ચૂકવ્યા વગર તમે ત્યાંથી નીકળી શકશો નહિ.” બરાબર એ જ સમયે કેટલાક માણસોએ ઈસુને કહ્યું કે ગાલીલીઓ ઈશ્વરને બલિદાન ચડાવી રહ્યા હતા ત્યારે જ પિલાતે તેમની ક્તલ કરી. ઈસુએ તેમને જવાબ આપ્યો, “એ ગાલીલીઓને એ રીતે મારી નાખવામાં આવ્યા, તેથી તમે એમ માનો છો કે તેઓ બીજા ગાલીલીઓ કરતાં વિશેષ પાપી હતા? ના, હું તમને કહું છું કે જો તમે તમારાં પાપથી પાછા નહિ ફરો, તો તેમની માફક તમે પણ નાશ પામશો. શિલોઆમમાં પેલા અઢાર માણસો પર બુરજ તૂટી પડયો હતો, એમનું શું? યરુશાલેમમાં રહેતા અન્ય માણસો કરતાં તેઓ વધારે પાપી હતા એમ તમે માનો છો? ના! હું તમને કહું છું કે જો તમે તમારાં પાપથી પાછા નહિ ફરો, તો તેમની માફક તમે પણ નાશ પામશો.” પછી ઈસુએ તેમને આ ઉદાહરણ કહી સંભળાવ્યું, “એક માણસની દ્રાક્ષાવાડીમાં અંજીરી હતી. તે આવીને તેના પરથી અંજીરની શોધ કરતો હતો, પણ તેને એકેય અંજીર મળ્યું નહિ. તેથી તેણે પોતાના માળીને કહ્યું, ‘જો, આ અંજીરી પરથી છેલ્લાં ત્રણ વર્ષથી હું અંજીરની શોધ કર્યા કરું છું, પણ મને એકેય અંજીર મળ્યું નથી. એને કાપી નાખ! તેને માટે જમીન શું ક્મ નક્મી રોકવી?’ પણ માળીએ જવાબ આપ્યો, ‘સાહેબ, એને આટલું વર્ષ રહેવા દો, હું તેની આસપાસ ખાડો ખોદીશ અને એમાં ખાતર નાખીશ. પછી જો તેને આવતે વર્ષે અંજીર લાગે તો તો સારું; અને જો એમ ન થાય, તો તમે એને કાપી નંખાવજો.” વિશ્રામવારે ઈસુ એક ભજનસ્થાનમાં શિક્ષણ આપતા હતા. ત્યાં એક સ્ત્રી હતી, જેને દુષ્ટાત્મા વળગેલો હતો. તેથી તે અઢાર વર્ષથી બીમાર હતી; તે વાંકી વળી ગઈ હતી, અને ટટ્ટાર થઈ શક્તી ન હતી. ઈસુએ તેને જોઈને બોલાવીને કહ્યું, “બહેન, તારી બીમારીમાંથી તું મુક્ત થઈ છે.” તેમણે પોતાના હાથ તેના પર મૂક્યા અને તરત જ તે ટટ્ટાર થઈ અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગી. ઈસુએ તેને વિશ્રામવારે સાજી કરી તેથી ભજનસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું, “છ દિવસ આપણે ક્મ કરવું જોઈએ, તેથી એ દિવસોમાં આવીને સાજા થાઓ, વિશ્રામવારે નહિ.” ઈસુએ તેને જવાબ આપ્યો, “ઓ દંભીઓ! તમે બધા પોતાનો બળદ અથવા ગધેડું ગભાણમાંથી છોડીને તેને પાણી પીવડાવવા વિશ્રામવારે લઈ જતા નથી? અહીં આ પણ અબ્રાહામની પુત્રી છે અને શેતાને તેને અઢાર વર્ષથી બાંધી રાખી હતી. તો વિશ્રામવારે તેને બંધનમુક્ત કરવી કે નહિ?” તેમના જવાબોથી તેમના શત્રુઓ શરમિંદા થઈ ગયા, જ્યારે બધા લોકો ઈસુનાં અદ્‍ભુત કાર્યો પર ખુશ થઈ ગયા. પછી ઈસુએ કહ્યું, “ઈશ્વરનું રાજ શાના જેવું છે? એને હું શાની સાથે સરખાવું? એ તો રાઈના બી જેવું છે. કોઈ એક માણસે એને લઈને પોતાના ખેતરમાં વાવ્યું; એ વધીને મોટો છોડ બન્યો અને આકાશનાં પંખીઓએ તેની ડાળીઓ પર માળા બાંયા.” ઈસુએ ફરીથી કહ્યું, “ઈશ્વરના રાજને હું શાની સાથે સરખાવું? એ તો ખમીર જેવું છે; એક સ્ત્રી ખમીર લઈને ત્રણ માપ લોટમાં ધીરે ધીરે ભેળવે છે; તેથી બધા જ લોટને આથો ચડે છે.” ઈસુ શહેરોમાં અને ગામડાંઓમાં ઉપદેશ આપતા આપતા યરુશાલેમ તરફ જઈ રહ્યા હતા. કોઈએ તેમને પૂછયું, “પ્રભુ, શું થોડા જ લોકો ઉદ્ધાર પામશે?” ઈસુએ તેમને જવાબ આપ્યો, “સાંકડા બારણામાં થઈને જવા માટે તમારાથી બનતું બધું કરો; કારણ, હું તમને કહું છું કે ઘણા લોકો તેમાં પ્રવેશવા પ્રયત્ન કરશે, પણ પ્રવેશી શકશે નહિ. ઘરનો માલિક ઊભો થઈને બારણું બંધ કરશે; પછી જ્યારે તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવશો અને કહેશો, ‘સાહેબ અમારે માટે બારણું ખોલો,’ ત્યારે તે જવાબ આપશે, ‘તમે ક્યાંના છો તે હું જાણતો નથી!’ ત્યારે તમે વળતો જવાબ આપશો, ‘અમે તમારી સાથે ખાધુંપીધું હતું; તમે અમારા શહેરમાં ઉપદેશ આપ્યો હતો.’ ત્યારે તે ફરીથી કહેશે, ‘તમે ક્યાંના છો તે હું જાણતો નથી. ઓ સર્વ દુરાચારીઓ, મારાથી દૂર જાઓ!’ તમે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને તથા બધા સંદેશવાહકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને તમે પોતે બહાર ફેંકાઈ જશો ત્યારે તમારે રડવાનું અને દાંત પીસવાનું રહેશે. વળી, પૂર્વથી તથા પશ્ર્વિમથી અને ઉત્તરથી તથા દક્ષિણથી લોકો આવશે અને ઈશ્વરના રાજમાં ભોજન સમારંભમાં બેસશે. જુઓ, જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે અને જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે.” એ જ સમયે કેટલાક ફરોશીઓએ ઈસુની પાસે આવીને કહ્યું, “તમે અહીંથી નીકળીને બીજે ક્યાંક ચાલ્યા જાઓ, કારણ, હેરોદ તમને મારી નાખવા માગે છે.” ઈસુએ તેમને જવાબ આપ્યો, “એ શિયાળવાને જઈને કહો; હું આજે અને આવતીકાલે દુષ્ટાત્માઓ કાઢવાનો છું તથા લોકોને સાજા કરવાનો છું, પરમ દિવસે હું મારું કાર્ય પૂરું કરીશ. છતાં આજે, આવતી કાલે અને પરમ દિવસે તો મારે મારી મુસાફરી ચાલુ રાખવી પડશે; યરુશાલેમ સિવાય બીજી કોઈ જગ્યાએ સંદેશવાહક માર્યો જાય એમ બને જ નહિ. “ઓ યરુશાલેમ, યરુશાલેમ! સંદેશવાહકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે એકઠાં કરે તેમ તારા લોકને એકઠા કરવાની મેં કેટલી બધી વાર ઝંખના સેવી છે; પણ તેં તે ઇચ્છયું નથી. હવે તારું ઘર તારે આશરે છોડી દેવામાં આવશે. હું તમને કહું છું કે, ‘પ્રભુના નામે જે આવે છે તેને ઈશ્વર આશિષ આપો!’ એમ તમે નહિ કહો, ત્યાં સુધી તમે મને જોશો નહિ.” એકવાર વિશ્રામવારે ઈસુ એક અગ્રગણ્ય ફરોશીને ઘેર જમવા ગયા; એ લોકો એમના ઉપર ચાંપતી નજર રાખતા હતા. ત્યાં જલંદરથી પીડાતો એક માણસ ઈસુની પાસે આવ્યો. આથી ઈસુએ નિયમશાસ્ત્રના શિક્ષકો તથા ફરોશીઓને પૂછયું, “આપણા નિયમશાસ્ત્રમાં વિશ્રામવારના દિવસે સાજા કરવાનું કાર્ય કરી શકાય ખરું?” પણ તેઓ કંઈ જ બોલ્યા નહિ. ઈસુએ તેને સ્પર્શ કર્યો અને સાજો કરીને રવાના કર્યો. પછી તેમણે તેમને કહ્યું, “તમારામાંના કોઈનો પુત્ર અથવા બળદ વિશ્રામવારને દિવસે કૂવામાં પડી જાય, તો તમે તેને તે જ દિવસે તરત જ બહાર નહિ કાઢો?” પણ તેઓ તેમને તેનો જવાબ આપી શક્યા નહિ. મહેમાનો પોતાને માટે મુખ્ય સ્થાન પસંદ કરતા હતા, તે જોઈને ઈસુએ તેમને બધાને આ ઉદાહરણ આપ્યું, “કોઈ તમને લગ્નજમણમાં નિમંત્રણ આપે તો મુખ્ય સ્થાનમાં જઈને ન બેસો. કદાચ એવું બને કે તમારા કરતાં કોઈ વધુ પ્રતિષ્ઠિત માણસને નિમંત્રણ આપવામાં આવ્યું હોય. અને નિમંત્રણ આપનાર યજમાન આવીને તમને કહે, ‘આ ભાઈને અહીં બેસવા દેશો?’ ત્યારે તમે શરમાઈ જશો. તમારે સૌથી છેલ્લી જગ્યાએ બેસવું પડશે. એના કરતાં તો, જ્યારે તમને નિમંત્રણ આપવામાં આવે ત્યારે જઈને સૌથી છેલ્લી જગ્યાએ બેસો, એટલે તમારો યજમાન આવીને તમને કહેશે, ‘મિત્ર, આવો, પેલા સારા સ્થાને બેસો,’ એટલે બીજા બધા મહેમાનોની સમક્ષ તમને માન મળશે. કારણ, જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે.” પછી ઈસુએ પોતાના યજમાનને કહ્યું, “જ્યારે તમે બપોરનું ખાણું કે રાત્રિનું ભોજન આપો, ત્યારે તમારા મિત્રો, તમારા ભાઈઓ, તમારા સંબંધીઓ અથવા તમારા ધનિક પડોશીઓને નિમંત્રણ ન આપો. કારણ, એના બદલામાં તેઓ તમને નિમંત્રણ આપશે અને ત્યારે તમે જે કર્યું છે, તેનું ફળ તમને મળી જશે. પણ જ્યારે તમે ભોજન સમારંભ રાખો, ત્યારે ગરીબોને, અપંગોને, લંગડાઓને અને આંધળાઓને નિમંત્રણ આપો. એથી તમને આશિષ મળશે; કારણ, તેઓ તમને બદલો આપી શકે તેમ નથી. ન્યાયી માણસો મૃત્યુમાંથી જીવંત થશે, ત્યારે ઈશ્વર તરફથી તમને બદલો મળશે.” એ સાંભળીને તેમની સાથે જમવા બેઠેલાઓમાંથી એક માણસે ઈસુને કહ્યું, “ઈશ્વરના રાજ્યમાં જેઓ જમવા બેસશે તેમને ધન્ય છે!” ઈસુએ તેને કહ્યું, “એક માણસે મોટો ભોજન સમારંભ યોજ્યો. એમાં એણે ઘણા લોકોને નિમંત્રણ આપ્યું. ભોજન સમયે, ‘ચાલો, સઘળું તૈયાર છે’ એવું પોતાના મહેમાનોને કહેવા તેણે નોકરને મોકલ્યો. પણ એક પછી એક બધા જ બહાનાં કાઢવા લાગ્યા. પહેલાએ નોકરને કહ્યું, ‘માફ કરજો, મેં ખેતર ખરીદ્યું છે, અને મારે તે જોવા જવાનું છે.’ બીજાએ કહ્યું, ‘માફ કરજો, મેં પાંચ જોડ બળદ ખરીદ્યા છે, અને તેમને ચક્સી જોવા જ જઈ રહ્યો છું.’ ત્રીજાએ કહ્યું, ‘મારું હમણાં જ લગ્ન થયું છે, એટલે મારાથી આવી શકાય તેમ નથી.’ નોકરે પાછા આવીને પોતાના માલિકને બધું કહ્યું ત્યારે માલિક ઘણો ગુસ્સે થઈ ગયો, અને તેણે પોતાના નોકરને કહ્યું, ‘શહેરની શેરીઓ અને ગલીઓમાં જલદી જા, અને ગરીબો, અપંગો, આંધળાઓ અને લંગડાઓને બોલાવી લાવ.’ નોકરે થોડી જ વારમાં કહ્યું, ‘સાહેબ, તમારા કહ્યા પ્રમાણે બધું જ કર્યું છે, પણ હજુ જગ્યા ખાલી છે.’ તેથી માલિકે નોકરને કહ્યું, ‘રસ્તાઓ પર અને ગલીઓમાં જા, અને લોકોને આગ્રહ કરીને અંદર તેડી લાવ, જેથી મારું ઘર ભરાઈ જાય. હું તને કહું છું કે આમંત્રિત મહેમાનોમાંથી કોઈ મારું ભોજન ચાખવા પામશે નહિ!” ઈસુની સાથે લોકોનાં ટોળેટોળાં ચાલ્યાં જતાં હતાં. તેમણે પાછા ફરીને તેમને કહ્યું, “જે મને અનુસરવા માગે છે તે પોતાના પિતા, માતા, પત્ની અને બાળકો, ભાઈઓ અને બહેનો અરે, પોતાની જાતનો પણ તિરસ્કાર ન કરે, તો તે મારો શિષ્ય બની શક્તો નથી. જે પોતાનો ક્રૂસ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શક્તો નથી. જો તમારામાંનો કોઈ મકાન બાંધવા માગતો હોય, તો પોતાની પાસે એ ક્મ પૂરું કરવા જેટલા પૈસા છે કે નહિ તે જોવા પ્રથમ બેસીને એનો કેટલો ખર્ચ થશે તેનો અંદાજ નહિ કાઢે? જો તે તેમ ન કરે, તો મકાનનો પાયો નાખ્યા પછી તે તેને પૂરું કરી શકશે નહિ, અને એથી જોનારા તેની મશ્કરી ઉડાવશે અને કહેશે, ‘આ માણસે બાંધક્મ શરૂ તો કર્યું, પણ તે પૂરું કરી શક્યો નહિ.’ પોતાની સામે વીસ હજાર સૈનિકો લઈને ચઢી આવેલા રાજાની સામે દશ હજાર સૈનિકો લઈને લડવા જતાં પહેલાં કોઈ પણ રાજા પ્રથમ બેસીને પેલા રાજાનો સામનો કરવા પોતે સમર્થ છે કે નહિ તેનો વિચાર નહિ કરે? જો તે સમર્થ ન હોય, તો પેલો રાજા હજુ તો ઘણો દૂર છે એવામાં શાંતિની શરતોની માગણી માટે તેની પાસે તે એલચીઓ નહિ મોકલે?” ઈસુએ અંતમાં જણાવ્યું, “એ જ રીતે તમારામાંનો કોઈ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા સિવાય મારો શિષ્ય થઈ શકે જ નહિ.” “મીઠું તો સારું છે, પણ જો તે પોતાનો સ્વાદ ગુમાવે તો તે ફરીથી કોઈ રીતે ખારું કરી શકાય નહિ. નક્મું મીઠું તો જમીન માટે અથવા ઉકરડા માટે પણ ક્મનું નથી; એને ફેંકી દેવામાં આવે છે. તેથી તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો!” એક વાર નાકાદારો અને સમાજમાંથી બહિષ્કૃત થયેલા માણસો ઈસુને સાંભળવા આવ્યા. ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકો બબડવા લાગ્યા, “આ માણસ બહિષ્કૃત માણસોને આવકાર આપે છે અને તેમની સાથે જમે છે પણ ખરો!” તેથી ઈસુએ તેમને આ ઉદાહરણ આપ્યુ. “ધારો કે તમારામાંના કોઈની પાસે સો ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય, તો તે શું કરશે? તે બાકીનાં નવ્વાણું ઘેટાંને ટેકરી પર ચરતાં મૂકીને પેલું ખોવાયેલું ઘેટું મળે ત્યાં સુધી તેની શોધ કરશે. જ્યારે તે તેને મળશે ત્યારે તેને એટલો આનંદ થશે કે તે તેને પોતાના ખભા પર ઊંચકીને ઘેર લાવશે. પછી તે પોતાના મિત્રોને અને પડોશીઓને એકઠા કરીને તેમને કહેશે, ‘મારું ખોવાયેલું ઘેટું મને પાછું મળ્યું છે તેથી મને ઘણો આનંદ થાય છે. તમે પણ મારી સાથે આનંદ કરો.’ એ જ પ્રમાણે હું તમને કહું છું કે જેમને પસ્તાવાની જરૂર જણાતી નથી, એવા નેકીવાન ગણાતા નવ્વાણું માણસો કરતાં પસ્તાવો કરતા એક પાપીને લીધે આકાશમાં વિશેષ આનંદ થશે. “અથવા, ધારો એક સ્ત્રી પાસે ચાંદીના દસ સિક્કા હોય અને તેમાંથી એક ખોવાઈ જાય, તો તે શું કરશે? તે દીવો સળગાવશે, પોતાનું ઘર સાફસૂફ કરશે અને તે મળે ત્યાં લગી તેની કાળજીપૂર્વક શોધ કરશે. જ્યારે તે તેને મળશે, ત્યારે તે પોતાની બહેનપણીઓને અને પડોશીઓને એકઠાં કરશે અને તેમને કહેશે, ‘મારો ખોવાઈ ગયેલો સિક્કો મને પાછો મળ્યો છે તેથી મને ઘણો આનંદ થાય છે. તમે પણ મારી સાથે આનંદ કરો.’ એ જ પ્રમાણે હું તમને કહું છું કે, “પસ્તાવો કરતા એક પાપીને લીધે ઈશ્વરના દૂતો આનંદ કરે છે.” ઈસુએ વધુમાં કહ્યું, “એક માણસને બે પુત્રો હતા. નાના પુત્રે તેને કહ્યું, ‘પિતાજી, મિલક્તનો મારો હિસ્સો હવે મને આપી દો.’ તેથી પેલા માણસે બે પુત્રો વચ્ચે મિલક્ત વહેંચી આપી. થોડા જ દિવસો પછી નાના પુત્રે મિલક્તનો પોતાનો ભાગ વેચી દીધો અને તેમાંથી મળેલા પૈસા લઈ ઘેરથી જતો રહ્યો. તે દૂર દેશમાં ચાલ્યો ગયો; અને ત્યાં ભોગવિલાસમાં પોતાના બધા પૈસા વેડફી માર્યા. તેની પાસે જે હતું તે બધું તેણે ખર્ચી નાખ્યું, પછી તે દેશમાં કારમો દુકાળ પડયો, અને તેની પાસે કંઈ રહ્યું નહિ. તેથી તે તે દેશના કોઈ એક નાગરિકને ત્યાં ક્મ કરવા રહ્યો. તેણે તેને ભૂંડોની દેખભાળ રાખવા પોતાના ખેતરમાં મોકલ્યો. જે શિંગો ભૂંડો ખાતાં હતાં તે ખાઈને પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું, પણ કોઈ તેને કંઈ ખાવાનું આપતું નહિ. પછી તેને ભાન થયું, અને તે બોલ્યો, ‘મારા પિતાજીના કેટલા બધા નોકરોને તેઓ ખાઈ શકે તે કરતાં વિશેષ મળે છે, અને અહીં હું ભૂખે મરવા પડયો છું!’ હું ઊઠીને મારા પિતાજી પાસે જઈશ અને તેમને કહીશ, “પિતાજી, મેં ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હવે હું તમારો પુત્ર કહેવડાવવાને યોગ્ય રહ્યો નથી; મને તમારા નોકરોમાંના એકના જેવો ગણો.’ પછી તે ઊઠીને પોતાના પિતાજીની પાસે જવા ઊપડયો. હજુ તો તે ઘરથી દૂર હતો એવામાં તેના પિતાએ તેને જોયો; તેના પિતાનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. તે દોડીને પોતાના પુત્રને ભેટી પડયો અને તેને ચુંબન કર્યું. પુત્રએ કહ્યું, ‘પિતાજી, મેં ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હવે હું તમારો પુત્ર કહેવડાવવાને યોગ્ય રહ્યો નથી.’ પણ પિતાએ પોતાના નોકરોને બોલાવીને કહ્યું, ‘જલદી કરો. સૌથી સુંદર ઝભ્ભો લાવીને તેને પહેરાવો. તેની આંગળીમાં વીંટી અને પગમાં બુટ પહેરાવો. પછી જઈને હૃષ્ટપુષ્ટ વાછરડો લાવીને કાપો. ચાલો, આપણે આનંદોત્સવ કરીએ. કારણ, આ મારો પુત્ર મરી ગયો હતો, પણ હવે તે જીવતો થયો છે; તે ખોવાઈ ગયો હતો, પણ હવે તે જડયો છે’ અને એમ તેઓ આનંદ કરવા લાગ્યા. આ વખતે મોટો પુત્ર ખેતરમાં હતો. પાછા વળતાં તે ઘરની નજીક આવ્યો તો તેણે સંગીત અને નૃત્યુનો અવાજ સાંભળ્યો. તેણે એક નોકરને બોલાવીને પૂછયું, ‘આ બધું શું ચાલે છે?’ નોકરે જવાબ આપ્યો, ‘તમારા ભાઈ ઘેર પાછા આવ્યા છે અને તે સહીસલામત પાછા મળ્યા હોવાથી તમારા પિતાજીએ હૃષ્ટપુષ્ટ વાછરડો કપાવ્યો છે.’ મોટો ભાઈ ગુસ્સે થઈ ગયો અને તે ઘરમાં પણ જવા માગતો ન હતો; તેથી તેના પિતાએ બહાર આવીને તેને અંદર જવા આજીજી કરી. તેણે તેના પિતાને જવાબ આપ્યો, ‘જુઓ, આ બધાં વર્ષો એક ગુલામની જેમ મેં તમારું ક્મ કર્યું છે, અને તમારી આજ્ઞાઓ કદી ઉથાપી નથી; છતાં મારા મિત્રો સાથે મિજબાની કરવા માટે તમે મને એક લવારું પણ આપ્યું નથી! પણ આ તમારા પુત્રે વેશ્યાઓની પાછળ તમારી બધી સંપત્તિ વેડફી નાખી, અને છતાં તે ઘેર પાછો ફર્યો છે, ત્યારે તમે તેને માટે ષ્ટપૃષ્ટ વાછરડો કપાવો છો!’ પિતાએ જવાબ આપ્યો, ‘બેટા, તું હરહંમેશ મારી સાથે જ છે, અને મારું જે છે તે તારું જ છે. પણ આપણે આનંદોત્સવ કરવો જોઈએ. કારણ, આ તારો ભાઈ મરી ગયો હતો, પણ હવે તે જીવતો થયો છે; ખોવાઈ ગયો હતો, પણ હવે તે પાછો મળ્યો છે.” ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “એક શ્રીમંત માણસને એક કારભારી હતો. કારભારી તેના શેઠના પૈસા વેડફી નાખે છે એવી ફરિયાદ શેઠના સાંભળવામાં આવી. તેણે તેને કહ્યું, ‘તારા વિષે હું આ બધું શું સાંભળું છું? મારી જે મિલક્તનો તું કારભાર કરે છે તેનો પૂરેપૂરો હિસાબ આપી દે, કારણ તું હવે મારા કારભારી તરીકે રહી શકે નહિ.’ કારભારીએ પોતાના મનમાં કહ્યું, ‘મારા શેઠ હવે મને નોકરીમાંથી કાઢી મૂકશે. હવે મારે શું કરવું? મજૂરી કરવા જેટલી મારામાં તાક્ત નથી અને ભીખ માગતાં મને શરમ લાગે છે. મારે શું કરવું તેની હવે મને સૂઝ પડે છે! એથી મારી નોકરી જતી રહેશે, ત્યારે પણ મને તેમના ઘરમાં આવકારનાર મિત્રો હશે!’ તેથી તેણે પોતાના શેઠના બધા દેવાદારોને એક પછી એક બોલાવ્યા. તેણે પહેલાને કહ્યું, ‘મારા શેઠનું તમારે કેટલું દેવું છે?’ તેણે જવાબ આપ્યો, ‘સો પીપ ઓલિવનું તેલ.’ કારભારીએ તેને કહ્યું, ‘આ રહ્યું તમારું ખાતું, બેસીને પચાસ લખો.’ તેણે બીજાને કહ્યું, ‘તમારે કેટલું દેવું છે?’ તેણે જવાબ આપ્યો, ‘સો થેલા ઘઉં.’ કારભારીએ તેને કહ્યું, ‘આ તમારું ખાતું છે. એમાં એંસી લખો.’ આવું ચાલાકીભર્યું વર્તન જોઈને એ અપ્રામાણિક કારભારીના શેઠે તેની પ્રશંસા કરી; કારણ, પ્રકાશના લોકો કરતાં આ દુનિયાના લોકો તેમના સાથીદારો સાથેના વ્યવહારમાં વધારે ચાલાક હોય છે.” વળી, ઈસુએ કહ્યું, “હું તમને પણ એ જ કહું છું: દુન્યવી સંપત્તિ વડે તમે પોતાને માટે મિત્રો કરી લો, જેથી જ્યારે તે સંપત્તિ ખૂટી જાય, ત્યારે સાર્વકાલિક ઘરમાં તમારો સત્કાર થશે. જે નાની બાબતોમાં વફાદાર છે, તે મોટી બાબતોમાં પણ થશે; જે નાની બાબતોમાં અપ્રામાણિક છે, તે મોટી બાબતોમાં પણ અપ્રામાણિક થશે. તેથી જો તમે દુન્યવી સંપત્તિના વહીવટમાં વફાદાર નહિ રહો, તો તમને સાચી સંપત્તિ કોણ સોંપશે? અને જે બીજા કોઈનું છે તેમાં તમે વિશ્વાસુ રહ્યા નથી, તો તમારું પોતાનું તમને કોણ સોંપશે? “કોઈ પણ નોકર બે માલિકની નોકરી કરી શકે નહિ; કારણ, તે એકને ધિક્કારશે અને બીજા પર પ્રેમ કરશે; તે એકને વફાદાર રહેશે, અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વર અને સંપત્તિ એ બન્‍નેની સેવા કરી શકો નહિ.” આ બધું સાંભળીને ફરોશીઓ ઈસુની મશ્કરી કરવા લાગ્યા, કારણ, તેઓ દ્રવ્યલોભી હતા. ઈસુએ તેમને કહ્યું, “તમે તો પોતાની જાતને માણસોની દૃષ્ટિમાં સાચા દેખાડનારા છો, પણ ઈશ્વર તમારાં હૃદયો જાણે છે, કારણ, માણસ જેને મૂલ્યવાન ગણે છે, તે ઈશ્વરની દૃષ્ટિમાં ધિક્કારપાત્ર છે. “મોશેનું નિયમશાસ્ત્ર અને ઈશ્વરના સંદેશવાહકોનાં લખાણો બાપ્તિસ્મા કરનાર યોહાનના સમય સુધી અમલમાં હતાં; ત્યાર પછી ઈશ્વરના રાજ સંબંધીનો શુભસંદેશ કહેવામાં આવી રહ્યો છે, અને બધા તેમાં બળજબરીથી પ્રવેશવા યત્ન કરે છે. છતાં નિયમશાસ્ત્રની નાનામાં નાની વિગત નિરર્થક થાય, તે કરતાં આકાશ અને પૃથ્વીનું અસ્તિત્વ મટી જાય એ સહેલું છે. “પોતાની પત્નીથી લગ્નવિચ્છેદ કરીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષ વ્યભિચાર કરે છે; તેમ જ જેનો લગ્નવિચ્છેદ થયો હોય તેવી સ્ત્રી સાથે લગ્ન કરનાર પણ વ્યભિચાર કરે છે.” “એક શ્રીમંત હતો. તે ખૂબ કિંમતી કપડાં પહેરતો અને હંમેશાં ભારે મોજશોખમાં જીવતો હતો. લાઝરસ નામે એક ગરીબ માણસ હતો. તેને આખા શરીરે ગૂમડાં થયેલાં હતાં. તેને શ્રીમંત માણસને બારણે રોજ લાવવામાં આવતો. અને શ્રીમંત માણસના મેજ પરથી પડતા ખોરાકના ટુકડાથી તે પોતાનું પેટ ભરવાની આશા રાખતો હતો. કૂતરાં પણ આવીને તેનાં ગૂમડાં ચાટતાં! તે ગરીબ માણસ મરી ગયો અને દૂતો તેને અબ્રાહામની પાસે લઈ ગયા. પેલો શ્રીમંત માણસ પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો. તે નરકમાં ખૂબ પીડા ભોગવતો હતો; અને તેણે ઊંચું જોયું તો દૂર દૂર અબ્રાહામને અને તેમની નજીક લાઝરસને બેઠેલા જોયા. તેથી તેણે બૂમ પાડી, ‘પિતા અબ્રાહામ! મારા પર દયા કરો, અને લાઝરસને મોકલો કે જેથી તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડક વાળે; કારણ, આ અગ્નિમાં હું અસહ્ય વેદના ભોગવું છું!’ પણ અબ્રાહામે કહ્યું, ‘મારા દીકરા, તારા જીવનકાળ દરમિયાન તને બધાં સારાં વાનાં આપવામાં આવ્યાં હતાં, જ્યારે લાઝરસને બધાં ભૂંડા વાનાં મળ્યાં હતાં, તે યાદ કર; પણ હવે તે અહીં આનંદ કરે છે, જયારે તું યાતના ભોગવે છે. એ ઉપરાંત આપણી વચ્ચે એક ઊંડી ખાઈ છે, જેથી અમારી બાજુએથી કોઈ તારી બાજુ આવવા ઇચ્છે તો ન આવી શકે. તેમજ તારી બાજુથી કોઈ અમારી બાજુ આવવા ઇચ્છે તો પણ તેને ઓળંગી શકે નહિ.’ શ્રીમંત માણસે કહ્યું, ‘હે પિતા, લાઝરસને મારા પિતાને ઘેર મોકલો એવી આજીજી કરું છું! મારે પાંચ ભાઈઓ છે. લાઝરસને તેમને ચેતવણી આપવા જવા દો, જેથી તેઓ આ વેદનાની જગ્યાએ આવી ન પડે.’ અબ્રાહામે કહ્યું, ‘તારા ભાઈઓને ચેતવણી આપવા માટે મોશેનું નિયમશાસ્ત્ર અને સંદેશવાહકોનાં પુસ્તકો છે; તેઓ શું કહે છે તે તારા ભાઈઓને સાંભળવા દે.’ શ્રીમંત માણસે જવાબ આપ્યો, ‘પિતા અબ્રાહામ, એના કરતાં તો જો કોઈ મરણમાંથી સજીવન થાય અને તેમની પાસે જાય, તો તેઓ તેમનાં પાપથી પાછા ફરે.’ પણ અબ્રાહામે કહ્યું, ‘જો તેઓ મોશે તથા સંદેશવાહકોનું ન સાંભળે, તો પછી કોઈ મરણમાંથી સજીવન થાય તોપણ તેઓ માનવાના નથી.” ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “લોકોને પાપમાં પાડનાર પ્રલોભનો તો ઊભાં થવાનાં જ; પણ જે વ્યક્તિ વડે એ થાય છે તેની કેવી દુર્દશા થશે! કોઈ આ નાનાઓમાંના એક્દને પાપમાં પાડે તેના કરતાં તેને ગળે ઘંટીનો પથ્થર બંધાય અને તે સમુદ્રમાં નંખાય એ તેને માટે સારું છે. તેથી સાવધ રહો! “જો તારો ભાઈ પાપ કરે તો તેને ઠપકો આપ, અને જો તે પસ્તાવો કરે તો તેને ક્ષમા કર. જો તે તારી વિરુદ્ધ એક દિવસમાં સાતવાર પાપ કરે, અને દરેક વખતે તે આવીને તને કહે, ‘મને પસ્તાવો થાય છે,’ તો તારે તેને ક્ષમા આપવી જોઈએ.” પ્રેષિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધારો.” પ્રભુએ જવાબ આપ્યો, “તમારામાં રાઈના દાણા જેટલો પણ વિશ્વાસ હોય, તો આ શેતુરના વૃક્ષને, ‘અહીંથી સમૂળગું ઊખડી જા, અને સમુદ્રમાં રોપાઈ જા,’ એમ તમે કહી શક્યા હોત અને તે તમારું કહ્યું માનત. “ધારો કે, તમારામાંના કોઈ એકને એક નોકર છે. તે ખેતર ખેડવાનું અથવા ઘેટાંની દેખભાળ રાખવાનું કાર્ય કરે છે. જ્યારે તે ખેતરમાંથી આવે છે, ત્યારે શું તમે આવું કહો છો કે, ‘ચાલ, આવીને જમવા બેસી જા?’ બેશક નહિ! એને બદલે, તમે આવું કહો છો: ‘મારે માટે રસોઈ તૈયાર કર, અને હું ખાઉંપીઉં ત્યાં લગી મારી ખડેપગે સેવા કર; તું પછીથી ખાજેપીજે.’ એ હુકમ માન્યા બદલ તમે નોકરનો આભાર માનો છો ખરા? એ જ રીતે તમારે પણ તમને આપવામાં આવેલી બધી આજ્ઞાઓ પાળ્યા પછી પણ કહેવું કે, ‘અમે નક્મા ચાકરો છીએ; અમે તો માત્ર અમારી ફરજ બજાવી છે.” યરુશાલેમ જતાં જતાં ઈસુ સમરૂન અને ગાલીલમાં થઈને પસાર થયા. તે એક ગામમાં દાખલ થતા હતા, ત્યારે તેમને દસ રક્તપિત્તિયા સામા મળ્યા. તેઓ દૂર ઊભા રહીને બૂમ પાડવા લાગ્યા, “ઓ ઈસુ! ઓ પ્રભુ!અમારા પર દયા કરો.” ઈસુએ તેમને જોઈને કહ્યું, “જાઓ, યજ્ઞકાર પાસે જઈને તમારું શરીર બતાવો.” તેઓ જતા હતા ત્યારે રસ્તામાં તેઓને શુદ્ધ કરવામાં આવ્યા. તેમનામાંથી એક પોતાને સાજો કરવામાં આવ્યો તે જોઈને મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં પાછો આવ્યો. તે ઈસુના ચરણે નમી પડયો, અને આભાર માનવા લાગ્યો. એ તો એક સમરૂની હતો. ઈસુ બોલી ઊઠયા, “શુદ્ધ તો દસને કરવામાં આવ્યા હતા, બીજા નવ ક્યાં છે? પાછા આવીને ઈશ્વરનો આભાર માનનાર આ એક પરદેશી જ નીકળ્યો!” અને ઈસુએ તેને કહ્યું, “ઊઠ, જા; તારા વિશ્વાસને લીધે તું સાજો થયો છે.” કેટલાક ફરોશીઓએ ઈસુને પૂછયું, “ઈશ્વરનું રાજ ક્યારે આવશે?” આવો જવાબ આપ્યો: “નજરે જોઈ શકાય એ રીતે ઈશ્વરનું રાજ આવતું નથી. કોઈ એમ નહિ કહે કે, ‘જુઓ, તે અહીં છે,’ અથવા ‘ત્યાં છે.’ કારણ, ઈશ્વરનું રાજ તમારા દિલમાં છે.” પછી તે શિષ્યોને કહે છે, “એવો સમય આવશે કે જ્યારે તમે માનવપુત્રના સમયનો એક દિવસ પણ જોવાની ઝંખના રાખશો, પરંતુ તમે જોઈ શકશો નહિ! ‘જુઓ, તે ત્યાં રહ્યો!’ અથવા ‘જુઓ, તે આ રહ્યો!’ એવું કહેનારા તમને મળશે. પણ એમની પાછળ પાછળ શોધવા જતા નહિ. જેમ આકાશના એક છેડેથી બીજા છેડા સુધી વીજળી ચમકે છે, તેમ માનવપુત્રનું આગમન તે દિવસે થશે. પણ પ્રથમ તેણે ઘણું સહન કરવું પડશે અને તેના પોતાના સમયના લોકો તેનો તિરસ્કાર કરશે. “નૂહના સમયમાં જેમ બન્યું તેમ માનવપુત્રના સમયમાં પણ બનશે. નૂહ વહાણમાં પ્રવેશ્યો અને જળપ્રલયે આવીને બધાંનો નાશ કર્યો તે દિવસ સુધી બધા ખાતાપીતા હતા અને લગ્ન કરતા-કરાવતા હતા. વળી, લોતના સમયમાં જેમ બન્યું તેમ જ ત્યારે થશે. બધા લોકો ખાતા હતા, પીતા હતા, ખરીદતા હતા, વેચતા હતા, રોપતા હતા અને બાંધતા હતા. પણ તે દિવસે આકાશમાંથી અગ્નિ તથા ગંધક વરસ્યાં અને તેમનો બધાનો નાશ થયો. માનવપુત્રના પ્રગટ થવાના દિવસે પણ તેમ જ બનશે. “તે દિવસે જે માણસ ઘરના છાપરા પર હોય, તેણે ઘરમાંથી પોતાની માલમિલક્ત લેવા ઊતરવું નહિ; એ જ પ્રમાણે જે માણસ ખેતરમાં ગયો હોય, તેણે ઘેર પાછા આવવું નહિ. લોતની પત્નીને યાદ કરો. જે કોઈ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ પોતાનો જીવ ગુમાવશે, તે તેને બચાવશે. હું તમને કહું છું કે તે રાત્રે એક પથારીમાં બે વ્યક્તિઓ સૂતી હશે; તેમાંથી એક લેવાશે અને બીજી પડતી મૂકાશે. બે સ્ત્રીઓ સાથે બેસીને ઘંટીએ દળતી હશે; તેમાંથી એકને લેવાશે અને બીજીને પડતી મૂકાશે (બે માણસો ખેતરમાં હશે, એક લઈ લેવાશે, અને બીજો પડતો મૂકાશે.) શિષ્યોએ તેમને પૂછયું, “પ્રભુ, આ બધું ક્યાં બનશે?” ઈસુએ જવાબ આપ્યો, “જ્યાં મડદું પડયું છે ત્યાં ગીધડાં એકઠાં થવાનાં જ.” હમેશાં પ્રાર્થના કરવી જોઈએ અને કદી નિરાશ ન થવું, એ શીખવવા ઈસુએ તેમને એક ઉદાહરણ કહ્યું, “એક નગરમાં એક ન્યાયાધીશ હતો, તે ન તો ઈશ્વરની બીક રાખતો કે ન તો માણસોનું માન રાખતો. એ જ નગરમાં એક વિધવા હતી. તે તેની પાસે જઈને કહ્યા કરતી: ‘મારા પ્રતિવાદી સામે મને ન્યાય અપાવો.’ કેટલાક સમય સુધી તો ન્યાયાધીશને તેમ કરવાની ઇચ્છા ન હતી, છતાં અંતે તેણે પોતાના મનમાં કહ્યું, ‘જો કે હું ઈશ્વરની બીક રાખતો નથી અથવા માણસોનું માન રાખતો નથી, છતાં આ વિધવાના આગ્રહને લીધે તેને તેનો હક્કદાવો મળી રહે તે જોઈશ. નહિ તો, તે આવીને મને હેરાન કરી મૂકશે!” પછી પ્રભુએ કહ્યું, “એ અપ્રામાણિક ન્યાયાધીશ જે કહે છે તે સાંભળો. તો રાતદિવસ સહાયને માટે ઈશ્વરને પોકારનાર પોતાના લોકોના પક્ષમાં ઈશ્વર ન્યાય નહિ કરે? શું તે તેમને મદદ કરવામાં ઢીલ કરશે? હું તમને કહું છું કે તે તેમની તરફેણમાં વિના વિલંબે ન્યાય કરશે. પણ માનવપુત્ર પૃથ્વી પર આવે ત્યારે તેને વિશ્વાસ જડશે કે કેમ?” પોતે જ ધાર્મિક છે એવી પાકી ખાતરી ધરાવનાર અને બીજાઓનો તિરસ્કાર કરનાર લોકોને ઉદ્દેશીને ઈસુએ આ ઉદાહરણ કહ્યું, “બે માણસો પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા; એમાંનો એક ફરોશી હતો. બીજો નાકાદાર હતો. ફરોશીએ ઊભા રહીને પ્રાર્થના કરી, ‘હે ઈશ્વર, બીજાઓના જેવો હું લોભી, અન્યાયી અથવા વ્યભિચારી નથી અને હું પેલા નાકાદાર જેવો નથી તેથી હું તમારો આભાર માનું છું. સપ્તાહમાં બે વાર તો હું ઉપવાસ કરું છું, અને મારી બધી આવકનો દસમો ભાગ દાનમાં આપું છું.’ પણ નાકાદારે દૂર ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી નહિ કરતાં છાતી કૂટીને કહ્યું, ‘હે ઈશ્વર, મુજ પાપી પર દયા કરો!” ઈસુએ કહ્યું, “હું તમને કહું છું કે પેલો ફરોશી નહિ, પણ આ કર ઉઘરાવનાર ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવીને પોતાને ઘેર પાછો ગયો. કારણ, જે કોઈ પોતાને માટે ઊંચું સ્થાન શોધે છે, તેને નીચો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને માટે નીચું સ્થાન સ્વીકારે છે, તેને ઊંચો કરવામાં આવશે.” કેટલાક લોકો બાળકોને ઈસુની પાસે લાવ્યા, જેથી તે તેમના પર હાથ મૂકીને તેમને આશિષ આપે. પણ શિષ્યોએ તે જોઈને લોકોને ધમકાવ્યા. પણ ઈસુએ બાળકોને પોતાની પાસે બોલાવતાં કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો. તેમને રોકશો નહિ, કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે. હું તમને સાચે જ કહું છું કે જે કોઈ બાળકની માફક ઈશ્વરના રાજનો સ્વીકાર કરતો નથી તે તેમાં કદી જ પ્રવેશ કરશે નહિ.” એક યહૂદી આગેવાને ઈસુને પૂછયું, “ઉત્તમ ઉપદેશક, સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું?” ઈસુએ તેને કહ્યું, “તું મને ઉત્તમ કેમ કહે છે? એકમાત્ર ઈશ્વર વિના કોઈ ઉત્તમ નથી. તું આજ્ઞાઓ તો જાણે છે ને? વ્યભિચાર ન કર; ખૂન ન કર; ચોરી ન કર; જૂઠી સાક્ષી ન પૂર, તારાં માતાપિતાને માન આપ!” તેણે જવાબ આપ્યો, “એ બધી આજ્ઞાઓ તો હું બાળપણથી જ પાળતો આવ્યો છું.” એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, “તારે એક બાબત કરવાની જરૂર છે. તારી પાસે જે કંઈ છે તે બધું વેચી નાખ અને તેમાંથી ઊપજેલા પૈસા ગરીબોને આપી દે, અને સ્વર્ગમાં તને સંપત્તિ મળશે; પછી આવીને મને અનુસર.” એ સાંભળીને તે ઘણો ઉદાસ થઈ ગયો, કારણ તે ઘણો શ્રીમંત હતો. એ જોઈને ઈસુએ કહ્યું, “ધનવાન લોકો માટે ઈશ્વરના રાજમાં પ્રવેશવું કેટલું અઘરું છે! શ્રીમંતને ઈશ્વરના રાજમાં પ્રવેશ કરવો એના કરતાં ઊંટને સોયના નાક્માં થઈને પસાર થવું સહેલું છે!” તેમનું સાંભળીને લોકોએ પૂછયું, “તો પછી ઉદ્ધાર કોણ પામી શકે?” ઈસુએ જવાબ આપ્યો, “માણસોને માટે જે અશક્ય છે તે ઈશ્વરને માટે શકાય છે.” પછી પિતરે કહ્યું, “જુઓ, અમે તો તમને અનુસરવાને અમારાં ઘરકુટુંબનો ત્યાગ કર્યો છે.” ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: ઈશ્વરના રાજને માટે જે કોઈ ઘર, પત્ની, ભાઈઓ, માતાપિતા અથવા બાળકોનો ત્યાગ કરે છે, તેને આ યુગમાં પુષ્કળ મળશે, અને આવનાર યુગમાં સાર્વકાલિક જીવન મળશે.” ઈસુએ બાર શિષ્યોને એક બાજુએ લઈ જઈને કહ્યું, “સાંભળો! આપણે યરુશાલેમ જઈએ છીએ અને સંદેશવાહકોએ માનવપુત્ર અંગે જે લખેલું છે તે બધું સાચું ઠરશે. તેને બિનયહૂદીઓના હાથમાં સોંપી દેવામાં આવશે, અને તેઓ તેની મજાક ઉડાવશે. તેનું અપમાન કરશે અને તેના પર થૂંકશે. તેઓ તેને ચાબખા મારશે, તેને મારી નાખશે, અને ત્રીજે દિવસે તે પાછો સજીવન કરાશે.” શિષ્યો એમાંનું કંઈ સમજ્યા નહિ; એ શબ્દોનો અર્થ તેમનાથી છુપો રખાયો હતો અને ઈસુ શાના વિષે બોલતા હતા તેની તેમને ખબર પડી નહિ. ઈસુ યરીખો નજીક આવી રહ્યા હતા, અને રસ્તા પર એક આંધળો ભીખ માગતો બેઠો હતો. નજીકમાં ટોળાને પસાર થતું સાંભળીને તેણે પૂછયું, “આ બધું શું છે?” તેમણે તેને કહ્યું, “નાઝારેથના ઈસુ જઈ રહ્યા છે.” તેણે બૂમ પાડી, “ઓ ઈસુ! દાવિદના પુત્ર! મારા પર દયા કરો!” મોખરે ચાલતા લોકોએ તેને ધમકાવ્યો અને શાંત રહેવા કહ્યું; પણ તે તો વધુ જોરથી બૂમો પાડવા લાગ્યો, “ઓ દાવિદપુત્ર! મારા પર દયા કરો.” તેથી ઈસુ થોભ્યા અને પેલા આંધળાને પોતાની પાસે લાવવા આજ્ઞા કરી. તે પાસે આવ્યો ત્યારે ઈસુએ તેને પૂછયું, “હું તારે માટે શું કરું? તારી શી ઇચ્છા છે?” તેણે જવાબ આપ્યો, “પ્રભુ, મારે ફરીથી દેખતા થવું છે.” ત્યારે ઈસુએ તેને કહ્યું, “દેખતો થા! તારા વિશ્વાસને લીધે તું સાજો કરાયો છે.” તે તરત જ દેખતો થયો અને ઈશ્વરનો આભાર માનતો ઈસુની પાછળ ગયો. એ જોઈને જનસમુદાયે ઈશ્વરની સ્તુતિ કરી. ઈસુ યરીખો ગયા, અને શહેરમાં થઈને પસાર થતા હતા. ત્યાં જાખી નામે મુખ્ય કર ઉઘરાવનાર હતો. તે શ્રીમંત હતો. ઈસુ કોણ છે તે જોવા તે પ્રયત્ન કરતો હતો, પણ તે ઠીંગણો હોવાથી ટોળાની ભીડને કારણે ઈસુને જોઈ શક્યો નહિ. તેથી તે ટોળાની આગળ દોડયો, અને એક ગુલ્લર વૃક્ષ પર ચડી ગયો. કારણ, ઈસુ તે રસ્તે થઈને જવાના હતા. ઈસુ એ જગ્યાએ આવ્યા એટલે તેમણે ઊંચે જોઈને જાખીને કહ્યું, “જાખી, જલદીથી નીચે ઊતર; કારણ, આજે હું તારે જ ઘેર રહેવાનો છું.” તેથી જાખી જલદીથી નીચે ઊતરી પડયો અને તેણે બહુ આનંદથી તેમનું સ્વાગત કર્યું. એ જોઈને બધા લોકો બબડવા લાગ્યા, “આ માણસ, એક પાપીને ઘેર મહેમાન તરીકે રહે છે!” જાખીએ ઊભા થઈને પ્રભુને કહ્યું, “પ્રભુ, મારી અડધી સંપત્તિ હું ગરીબોને આપી દઈશ; અને જો મેં કોઈને છેતર્યો હોય, તો હું તેને ચારગણું પાછું ભરપાઈ કરી આપીશ.” ઈસુએ તેને કહ્યું, “આજે આ ઘેર ઉદ્ધાર આવ્યો છે; આ માણસ પણ અબ્રાહામનો વંશજ છે. કારણ, માનવપુત્ર ખોવાયેલું શોધવા તથા બચાવવા આવ્યો છે.” લોકો એ બધું સાંભળતા હતા, ત્યારે ઈસુએ જતાં જતાં તેમને એક ઉદાહરણ કહેવાનું શરૂ કર્યું. કારણ, તેઓ યરુશાલેમની નજીક આવી પહોંચ્યા હતા અને લોકોએ ધાર્યું કે ઈશ્વરનું રાજ પ્રગટ થવાની તૈયારીમાં છે. તેથી ઈસુએ કહ્યું, “એક અમીર માણસ રાજા થવા માટે દૂર દેશમાં ગયો. તે ગયો તે પહેલાં તેણે પોતાના દસ નોકરોને બોલાવ્યા અને તેમને દરેકને એકએક સોનામહોર આપીને કહ્યું, ‘હું આવું ત્યાં સુધી આનાથી વેપાર કરજો.’ હવે તેના પ્રદેશના માણસો તેને ધિક્કારતા હતા, અને તેથી તેમણે તેની પાછળ પ્રતિનિધિ મંડળ મોકલીને કહેવડાવ્યું, ‘આ માણસ અમારો રાજા બને એવું અમે ઇચ્છતા નથી.’ તે અમીર રાજા બનીને પાછો આવ્યો. જે નોકરોને તેણે પૈસા આપ્યા હતા તે કેટલું કમાયા છે તે જાણવા તેમને તરત જ પોતાની આગળ હાજર થવા માટે હુકમ કર્યો. પહેલાએ આવીને કહ્યું, ‘સાહેબ, તમે આપેલી એક સોનામહોરમાંથી હું બીજી દસ કમાયો છું.’ તેણે કહ્યું, ‘શાબાશ! તું સારો નોકર છે! તું નાની બાબતોમાં વિશ્વાસુ રહ્યો, તેથી હું તને દસ શહેર પર અધિકારી ઠરાવીશ.’ બીજા નોકરે આવીને કહ્યું, ‘સાહેબ, તમે આપેલી એક સોનામહોરમાંથી હું બીજી પાંચ કમાયો છું.’ તેને તેણે કહ્યું, ‘તું પાંચ શહેર પર અધિકારી થા.’ ત્રીજા નોકરે આવીને કહ્યું, ‘સાહેબ, આ રહી તમારી સોનામહોર! મેં તેને રૂમાલમાં વીંટાળીને સંતાડી રાખી હતી. તમે કડક માણસ હોવાથી હું તમારાથી ગભરાતો હતો. કારણ, તમારું ન હોય તે તમે લઈ લો છો, અને તમે વાવ્યું ન હોય તેને લણી લો છો.’ તેણે તેને કહ્યું, ‘ઓ દુષ્ટ નોકર! તને અપરાધી ઠરાવવા હું તારા જ શબ્દોનો ઉપયોગ કરીશ! તું જાણે છે કે હું કડક માણસ છું; જે મારું ન હોય તે લઈ લઉં છું અને મેં વાવ્યું ન હોય તેને લણી લઉં છું. તો પછી તેં મારા પૈસા વ્યાજે કેમ ન મૂક્યા? હું પાછો આવ્યો ત્યારે મને તે વ્યાજ સાથે તો પાછા મળ્યા હોત ને!’ પછી ત્યાં ઊભેલાઓને તેણે કહ્યું, ‘તેની પાસેથી સોનામહોર લઈ લો અને જે નોકર પાસે દસ સોનામહોર છે તેને આપો.’ તેઓએ તેને કહ્યું, ‘સાહેબ, તેની પાસે દસ સોનામહોર તો છે જ!’ તેણે જવાબ આપ્યો, ‘હું તમને કહું છું કે જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે થોડુંક છે તે પણ લઈ લેવામાં આવશે. હવે મારા શત્રુઓ, જેઓ, હું તેમનો રાજા થાઉં તેવું ઇચ્છતા ન હતા તેમને અહીં લાવો અને મારી હાજરીમાં તેમની ક્તલ કરો!” એટલું કહીને ઈસુએ યરુશાલેમ તરફ તેમની આગળ ચાલવા માંડયું. તે બેથફાગે અને બેથાનિયાની નજીક ઓલિવ પર્વત પાસે આવ્યા, ત્યારે તેમણે બે શિષ્યોને આવી સૂચનાઓ આપી આગળ મોકલ્યા; “તમે સામેના ગામમાં જાઓ, તેમાં તમે પ્રવેશો એટલે જેના પર કદી કોઈ બેઠું નથી એવો વછેરો તમને બાંધેલો મળશે. તેને છોડીને અહીં લાવો. જો કોઈ તમને પૂછે, ‘તમે તેને કેમ છોડો છો?’ તો તેને કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે?” તેઓ ચાલી નીકળ્યા, અને ઈસુએ તેમને કહ્યું હતું તેવું જ તેમને મળ્યું. તેઓ વછેરો છોડતા હતા ત્યારે તેના માલિકોએ તેમને પૂછયું, “તમે તેને કેમ છોડો છો?” તેમણે જવાબ આપ્યો, “પ્રભુને તેની જરૂર છે.” તેઓ વછેરાને ઈસુ પાસે લાવ્યા. પછી તેમણે તેના પર પોતાનાં કપડાં પાથર્યાં અને ઈસુને તેના પર બેસાડયા. તેના પર સવાર થઈ તે જેમ જેમ આગળ જતા હતા તેમ તેમ લોકો પોતાનાં વસ્ત્રો રસ્તા પર બિછાવતા જતા હતા. જ્યારે તેઓ ઓલિવ પર્વતના ઢોળાવ પાસે યરુશાલેમ નજીક આવ્યા, ત્યારે તેમના શિષ્યોનો મોટો સમુદાય ઈશ્વરનો આભાર માનવા લાગ્યો અને જે બધી મહાન બાબતો તેમણે જોઈ હતી તે માટે મોટે અવાજે તેમની સ્તુતિ કરવા લાગ્યો. “પ્રભુને નામે જે રાજા આવે છે તેને ઈશ્વર આશિષ આપો! સ્વર્ગમાં શાંતિ અને ઉચ્ચસ્થાનોમાં જય હો!” પછી ટોળામાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું, “ઉપદેશક, તમારા શિષ્યોને શાંત રહેવા તાકીદ કરો.” ઈસુએ તેમને જવાબ આપ્યો, “હું તમને કહું છું કે, જો તેઓ શાંત થશે, તો પથ્થરો પોકારી ઊઠશે.” તેઓ યરુશાલેમ નજીક આવ્યા એટલે તે શહેરને જોઈને ઈસુ રડી પડયા અને બોલ્યા, “શાંતિ મેળવવા માટે શાની જરૂર છે એ તેં આજે જાણ્યું હોત તો કેવું સારું થાત! પણ હવે તું તે જોઈ શકતું નથી. કારણ, તારા પર એવા દિવસો આવશે કે જ્યારે તારા શત્રુઓ અવરોધ ઊભા કરી તને ઘેરી લેશે અને નાકાબંધી કરશે, અને ચારે બાજુએથી તને ભીંસમાં લેશે. તેઓ તને તોડી પાડશે અને તારા કોટની અંદરના માણસોનો પૂરેપૂરો સંહાર કરશે, તેઓ એકેય પથ્થરને તેના સ્થાને રહેવા દેશે નહિ; કારણ, જે સમયે ઈશ્વર તને બચાવવા માગતા હતા તે સમય તું પારખી શકાયું નહિ!” ઈસુ મંદિરમાં ગયા અને વેપારીઓને હાંકી કાઢવા લાગ્યા. તેમણે કહ્યું, “શાસ્ત્રમાં ઈશ્વર કહે છે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે.’ પણ તમે તેને લૂંટારાઓનું ધામ બનાવી દીધું છે.” ઈસુ રોજ મંદિરમાં ઉપદેશ આપતા. મુખ્ય યજ્ઞકારો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને લોકોના આગેવાનો તેમને મારી નાખવા માગતા હતા. પણ એ કેવી રીતે કરવું તેની તેમને સૂઝ પડતી ન હતી. કારણ, બધા લોકો ખૂબ જ ધ્યનથી તેમનું સાંભળતા હતા. એક દિવસે ઈસુ મંદિરમાં લોકોને શીખવતા હતા અને શુભસંદેશનો પ્રચાર કરતા હતા, ત્યારે મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો, આગેવાનો સહિત તેમની પાસે આવ્યા. અને તેમણે કહ્યું, “કયા અધિકારથી તમે આ બધું કરો છો? તમને એ અધિકાર કોણે આપ્યો?” ઈસુએ જવાબ આપ્યો, “હું પણ તમને એક પ્રશ્ર્ન પૂછીશ; કહો જોઈએ, બાપ્તિસ્મા કરવાનો અધિકાર યોહાનને ઈશ્વર તરફથી મળ્યો હતો કે માણસો તરફથી?” તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. “આપણે કેવો જવાબ આપીએ? જો આપણે કહીએ, ‘ઈશ્વર તરફથી’ તો તે કહેશે, ‘તો પછી તમે યોહાનનું કેમ ન માન્યું?’ પણ જો આપણે કહીએ, ‘માણસો તરફથી,’ તો આ આખું ટોળું આપણને પથ્થરે મારશે.” કારણ, યોહાન ઈશ્વરનો સંદેશવાહક હતો એવી લોકોને ખાતરી થઈ ચૂકી હતી. તેથી તેમણે જવાબ આપ્યો, “તેને એ અધિકાર કોના તરફથી મળ્યો તેની અમને ખબર નથી.” અને ઈસુએ તેમને કહ્યું, “ત્યારે હું પણ કયા અધિકારથી એ કાર્યો કરું છું તે તમને કહેવાનો નથી.” ઈસુએ લોકોને આ ઉદાહરણ કહી સંભળાવ્યું: “એક માણસે દ્રાક્ષવાડી બનાવી, ખેડૂતોને ભાગે આપી અને પછી લાંબા સમય માટે દૂર દેશમાં જતો રહ્યો. દ્રાક્ષ ઉતારવાનો સમય આવ્યો એટલે તેણે કમાણીનો પોતાનો હિસ્સો મેળવવા માટે એક નોકરને પેલા ખેડૂતો પાસે મોકલ્યો. પણ ખેડૂતોએ નોકરને માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો. તેથી તેણે બીજા એક નોકરને મોકલ્યો; પણ ખેડૂતોએ તેને પણ માર્યો અને અપમાન કરીને ખાલી હાથે પાછો મોકલ્યો. પછી તેણે ત્રીજા નોકરને મોકલ્યો; ખેડૂતોએ તેને પણ ઘાયલ કર્યો અને બહાર ફેંકી દીધો. પછી દ્રાક્ષવાડીના માલિકે કહ્યું, ‘હવે શું કરવું? હું મારા પોતાના પ્રિય પુત્રને મોકલીશ; તેઓ તેનું માન તો જરૂર રાખશે!’ પણ ખેડૂતોએ તેને જોઈને એકબીજાને કહ્યું, ‘આ તો માલિકનો પુત્ર છે. ચાલો, તેને મારી નાખીએ, એટલે બધી મિલક્ત આપણી થઈ જાય!’ તેથી તેમણે તેને દ્રાક્ષવાડીની બહાર ફેંકી દીધો અને મારી નાખ્યો.” ઈસુએ પૂછયું, “તો પછી દ્રાક્ષવાડીનો માલિક ઇજારદારોને શું કરશે! તે આવીને એ માણસોને મારી નાખશે, અને દ્રાક્ષવાડી બીજા ખેડૂતોને સોંપશે.” લોકોએ એ સાંભળીને કહ્યું, “એવું તો ન થવું જોઈએ.” ઈસુએ તેમની તરફ તાકીને પૂછયું, “તો પછી આ શાસ્ત્રવચનનો શો અર્થ થાય છે? ‘બાંધક્મ કરનારાઓએ જે પથ્થરને નકામો ગણીને ફેંકી દીધો હતો તે જ મથાળાની આધારશિલા બન્યો છે. જે કોઈ તે પથ્થર પર પડશે તેના ટુકડેટુકડા થઈ જશે; અને એ પથ્થર જો કોઈની ઉપર પડે, તો પથ્થર તેમનો ભૂકો કરી નાખશે.” નિયમશાસ્ત્રના શિક્ષકો અને મુખ્ય યજ્ઞકારોને ખબર પડી ગઈ કે ઈસુએ એ ઉદાહરણ તેમની વિરુદ્ધમાં કહ્યું હતું. તેથી તેમણે તે જ સ્થળે ઈસુની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો; પણ તેઓ લોકોથી ડરતા હતા. તેથી તેઓ લાગ શોધતા હતા અને ઈસુને તેમના શબ્દોમાં પકડી પાડીને રાજ્યપાલને સોંપી દેવાના ઇરાદાથી તેમણે નિખાલસ હોવાનો ઢોંગ કરતા કેટલાક જાસૂસોને મોકલી આપ્યા. આ જાસૂસોએ ઈસુને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે જે કહો છો અને શીખવો છો તે સાચું હોય છે. અમે જાણીએ છીએ કે તમે પક્ષપાત રાખ્યા વગર માણસ માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો. આપણે પરદેશી રોમન સમ્રાટને કરવેરા ભરવા તે યોગ્ય છે કે નહિ?” પણ ઈસુ તેમની ચાલાકી સમજી ગયા, અને તેમને કહ્યું, “મને ચાંદીનો એક સિક્કો બતાવો. એના પર કોની છાપ અને કોનું નામ છે?” તેમણે જવાબ આપ્યો, “પરદેશી રોમન સમ્રાટનાં.” તેથી ઈસુએ કહ્યું, “તો પછી જે રોમન સમ્રાટનું હોય તે રોમન સમ્રાટને અને જે ઈશ્વરનું હોય તે ઈશ્વરને ભરી દો.” લોકો સમક્ષ તેઓ તેમને એક પણ બાબતમાં પકડી શક્યા નહિ. તેઓ ઈસુના જવાબથી અવાકા બની ગયા. કેટલાક સાદૂકીપંથીઓ ઈસુ પાસે આવ્યા. તેઓ એવું માનતા હતા કે લોકો મરણમાંથી સજીવન થવાના નથી. તેમણે તેમને પૂછયું, “ગુરુજી, આપણે માટે મોશેએ આવો નિયમ લખેલો છે: ‘જો કોઈ માણસ મરી જાય અને તેની પત્ની હોય, પણ બાળકો ન હોય, તો એ માણસના ભાઈએ એ વિધવાની સાથે લગ્ન કરવું; જેથી મરી ગયેલા માણસનો વંશવેલો ચાલુ રહે.’ એકવાર સાત ભાઈઓ હતા; સૌથી મોટા ભાઈનું લગ્ન થયું અને તે નિ:સંતાન મરી ગયો. પછી બીજા ભાઈએ તે સ્ત્રી સાથે લગ્ન કર્યું. અને પછી ત્રીજાએ પણ. સાતેયના સંબંધમાં એવું જ બન્યું એટલે તેઓ બધા નિ:સંતાન મરી ગયા. છેલ્લે, એ સ્ત્રી પણ મરી ગઈ. હવે, મરી ગયેલાંઓના સજીવન થવાના દિવસે તે કોની પત્ની થશે? કારણ, તે સાતેય જણની પત્ની થઈ હતી!” ઈસુએ તેમને જવાબ આપ્યો, “આ યુગનાં સ્ત્રીપુરુષો લગ્ન કરે છે. મરી ગયેલાંઓમાંથી સજીવન થઈને આવનાર યુગમાં જીવનારાં સ્ત્રીપુરુષો લગ્ન કરશે નહિ. તેઓ તો દૂતો જેવાં છે અને ફરીથી મરનાર નથી. મરણમાંથી સજીવન થતાં હોવાથી તેઓ ઈશ્વરનાં સંતાન છે. અને મોશે પણ સ્પષ્ટ સાબિત કરે છે કે મૂએલાંઓને સજીવન કરવામાં આવે છે. બળતા ઝાડવાના પ્રસંગવાળા શાસ્ત્રભાગમાં ઈશ્વરને અબ્રાહામના ઈશ્વર, ઇસ્હાકના ઈશ્વર અને યાકોબના ઈશ્વર તરીકે સંબોધન કરેલું છે. આનો અર્થ એ છે કે, ઈશ્વર કંઈ મરેલાંઓના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કારણ, તેમને માટે તો બધા જીવતાં જ છે.” નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો બોલી ઊઠયા, “ગુરુજી, ખરો જવાબ આપ્યો!” કારણ, ત્યાર પછી તેમને વધુ પ્રશ્ર્નો પૂછવાની તેમની હિંમત ચાલી નહિ. ઈસુએ તેમને કહ્યું, “મસીહ દાવિદનો પુત્ર છે એવું કેવી રીતે બની શકે? કારણ, દાવિદ પોતે ગીતશાસ્ત્રના પુસ્તકમાં કહે છે, ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું, તારા શત્રુઓને તારા પગ નીચે આસનરૂપ કરી દઉં ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’ આમ, દાવિદ પોતે તેને ‘પ્રભુ’ કહે છે, તો પછી મસીહ દાવિદનો પુત્ર કેવી રીતે હોઈ શકે?” બધા લોકો ઈસુને સાંભળતા હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “નિયમશાસ્ત્રના શિક્ષકોથી સાવધ રહો; તેમને લાંબા ઝભ્ભા પહેરી ફરવાનું ગમે છે અને જાહેરસ્થાનોનાં વંદન ઝીલવાનું ગમે છે; તેઓ ભજનસ્થાનોમાં શ્રેષ્ઠ બેઠકો અને ભોજન સમારંભોમાં અગત્યનાં સ્થાનો પસંદ કરે છે; તેઓ વિધવાઓનાં ઘર લૂંટે છે, અને પછી ઢોંગ કરીને લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે! તેમને વધારેમાં વધારે સજા થશે.” ઈસુએ સામે જોયું તો મંદિરની દાનપેટીમાં શ્રીમંત માણસો પોતાનાં દાન નાખતા હતા. તેમણે એક ગરીબ વિધવાને પણ તાંબાના બે નાના સિક્કા નાખતી જોઈ. તેમણે કહ્યું, “હું તમને સાચે જ કહું છું કે આ ગરીબ વિધવાએ બીજા બધા કરતાં વિશેષ નાખ્યું છે. કારણ, બીજાઓએ તો તેમની સંપત્તિમાંથી જે કંઈ ફાજલ પાડી શકાય તેમાંથી અર્પણ કર્યું; પણ તેણે તો પોતે ગરીબ હોવા છતાં જીવનનિર્વાહ માટે જે કંઈ હતું તે બધું આપી દીધું.” કેટલાક લોકો સુંદર પથ્થરક્મ તેમ જ ઈશ્વરને અર્પેલી વસ્તુઓથી મંદિર કેવું શોભતું હતું તે વિષે વાત કરતા હતા. એટલે ઈસુએ કહ્યું, “તમે આ બધું જોઈ રહ્યા છો, પણ એવો સમય આવશે કે જ્યારે અહીં એક પણ પથ્થર એના સ્થાને રહેવા દેવાશે નહિ; એકેએક ફેંકી દેવાશે.” તેમણે પૂછયું, “ગુરુજી, એ બધું ક્યારે બનશે? અને એ બનવાનો સમય આવી પહોંચ્યો છે તે કયા ચિહ્ન પરથી જણાશે?” ઈસુએ કહ્યું, “સાવધ રહો, છેતરાતા નહિ. કારણ, ‘હું તે જ છું,’ અને ‘સમય આવી ગયો છે’; એવું કહેનારા ઘણા મારે નામે આવશે. પણ તમે તેમને અનુસરતા નહિ. યુદ્ધો અને હુલ્લડો વિષે તમે સાંભળો ત્યારે ગભરાશો નહિ; આ બધી બાબતો પ્રથમ થવાની જરૂર છે, પણ એટલેથી જ અંત આવી જશે નહિ.” તેમણે વધુમાં કહ્યું, “પ્રજાઓ અરસપરસ લડશે અને રાજ્યો એકબીજા પર આક્રમણ કરશે. મોટા મોટા ધરતીકંપો થશે, ઠેકઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે; આકાશમાં ભયંકર દૃશ્યો અને મોટી નિશાનીઓ દેખાશે. પણ આ બધું બને તે અગાઉ તમારી ધરપકડ થશે અને સતાવણી કરાશે. તમને ભજનસ્થાનોમાં સોંપી દેવામાં આવશે અને તમને જેલમાં પૂરવામાં આવશે. મારે લીધે તમને રાજાઓ અને શાસકો સમક્ષ લઈ જવામાં આવશે. તમારે માટે શુભસંદેશ જણાવવાની એ તક હશે. તમે નિર્ણય કરો કે તમે તમારો બચાવ કરવા માટે ચિંતા નહિ કરો. કારણ, હું તમને એવા શબ્દો અને ડહાપણ આપીશ કે તમારા શત્રુઓમાંનો કોઈ તમે જે કંઈ કહેશો તેનો વિરોધ કે નકાર કરી શકશે નહિ. તમારાં માતાપિતા, તમારા ભાઈઓ, તમારાં સગાસંબંધીઓ અને તમારા મિત્રો જ તમને પકડાવી દેશે; તમારામાંના કેટલાકને તેઓ મારી નાખશે, મારે લીધે પ્રજાઓ તમારો તિરસ્કાર કરશે. પણ તમારા માથાનો એક વાળ પણ વાંકો થશે નહિ. મક્કમ રહેજો, કારણ, એથી જ તમે તમારી જાતને બચાવી શકશો. “તમે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું જુઓ ત્યારે જાણજો કે તેનો નાશ થવાની તૈયારીમાં છે. ત્યારે જેઓ યહૂદિયામાં હોય, તેમણે પર્વતોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય, તેમણે બહાર નાસી છૂટવું; અને જેઓ ખેતરમાં હોય તેમણે શહેરમાં જવું નહિ; કારણ, શાસ્ત્રમાં જે કંઈ લખેલું છે તે સાચું ઠરે તે માટે એ શિક્ષાના દિવસો છે. એ દિવસોમાં સગર્ભા સ્ત્રીઓ અને ધાવણાં બાળકોવાળી માતાઓની કેવી કપરી દશા થશે! આ દેશ પર ઘોર યાતના અને આ લોક પર ઈશ્વરનો કોપ આવી પડશે. કેટલાકને તલવારથી મારી નાખવામાં આવશે, અને બીજાઓને અન્ય દેશોમાં કેદીઓ તરીકે લઈ જવામાં આવશે, અને બિનયહૂદીઓનો સમય પૂરો થાય ત્યાં સુધી તેઓ યરુશાલેમને ખૂંદશે. “સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો થશે. ઘૂઘવતા સમુદ્રના અને તેનાં ઊછળતાં મોજાંના ભયથી પૃથ્વી પરની બધી પ્રજાઓ નિરાશામાં ઘેરાશે. આખી પૃથ્વી પર જે આવી પડવાનું છે તેની અપેક્ષામાં અને તેની બીક માત્રથી માણસો હતાશ થઈ જશે; કારણ, આકાશનાં નક્ષત્રો તેમના ભમ્રણ-માર્ગમાંથી હટાવાશે. પછી માનવપુત્ર મહાન પરાક્રમ અને મહિમાસહિત વાદળમાં આવતો દેખાશે. આ બધી બાબતો થવા લાગે ત્યારે ઊભા રહીને તમારાં માથાં ઊંચાં કરો, કારણ, તમારો ઉદ્ધાર નજીક છે.” પછી ઈસુએ તેમને આ ઉદાહરણ કહ્યું, “અંજીરી તેમજ બીજાં બધાં વૃક્ષોનો વિચાર કરો. તેમનાં પાન ફૂટવા લાગે છે એટલે તમને ખબર પડી જાય છે કે ઉનાળો પાસે આવ્યો છે. એ જ પ્રમાણે તમે આ બધી બાબતો થતી જુઓ ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ આવવાની તૈયારીમાં છે. “હું તમને સાચે જ કહું છું: આ બધા બનાવો પ્રવર્તમાન પેઢી જતી રહે તે પહેલાં બનશે. આકાશ અને પૃથ્વી ભલે લોપ થાય પણ મારાં વચનો કદી ફોક જશે નહિ. “સાવધ રહો! ખાવાપીવામાં અને આ જીવનની ચિંતાઓમાં તલ્લીન થઈ જતા નહિ, રખેને એ દિવસ તમારા પર અચાનક આવી પડે. કારણ, એ દિવસ આખી પૃથ્વીના રહેવાસીઓ પર ફાંદાની માફક આવી પડશે. સાવધ રહો, અને હંમેશાં પ્રાર્થના કરો. જેથી આવનારી આ સઘળી બાબતોમાં થઈને સહીસલામત પાર ઊતરવા અને માનવપુત્ર સમક્ષ ઊભા રહેવા માટે તમને શક્તિ મળે.” ઈસુ એ દિવસો મંદિરમાં બોધ આપવામાં ગાળતા, અને સાંજ પડતાં તે રાતવાસો કરવા ઓલિવ પર્વત પર જતા રહેતા. બધા લોકો તેમનું સાંભળવા માટે વહેલી સવારથી મંદિરે આવી જતા. પાસ્ખાપર્વ નામે ઓળખાતું ખમીર વગરની રોટલીનું પર્વ નજીક આવ્યું હતું. મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો ઈસુને મારી નાખવા માટેનો કોઈક ઉપાય શોધતા હતા; કારણ, તેઓ લોકોથી ડરતા હતા. ઈસુના બાર શિષ્યો હતા, તેમાં ઈશ્કારિયોત તરીકે ઓળખાતો યહૂદા પણ હતો. તેનામાં શેતાન પ્રવેશ્યો. તેથી તેણે જઈને મુખ્ય યજ્ઞકારો અને મંદિરના સંરક્ષકો સાથે ઈસુને કેવી રીતે પકડી શકાય તે અંગે મંત્રણા કરી. તેઓ ખુશ થઈ ગયા અને તેને પૈસા આપવા કબૂલ થયા. તેથી યહૂદા સંમત થયો અને લોકો ન જાણે તેમ ઈસુને તેમના હાથમાં પકડાવી દેવાની તે તક શોધવા લાગ્યો. ખમીર વગરની રોટલી ખાવાના પર્વ દરમિયાન પાસ્ખાપર્વના ભોજન માટે ઘેટો કાપવાનો દિવસ આવ્યો. ઈસુએ પિતર અને યોહાનને સૂચના આપી મોકલ્યા, “જાઓ, જઈને આપણે માટે પાસ્ખાપર્વનું ભોજન તૈયાર કરો.” તેમણે પૂછયું, “અમે તે ક્યાં તૈયાર કરીએ?” તેમણે કહ્યું, “તમે શહેરમાં જશો એટલે પાણીનો ઘડો ઊંચકીને જતો એક માણસ તમને મળશે. જે ઘરમાં તે જાય ત્યાં તેની પાછળ પાછળ જજો, અને ઘરધણીને કહેજો, “ગુરુજીએ તમને એમ પુછાવ્યું છે કે, મારે અને મારા શિષ્યોને પાસ્ખાપર્વનું ભોજન લેવા માટેનો ઓરડો ક્યાં છે? એટલે તે તમને એક મોટો ઓરડો બતાવશે. ત્યાં તમે બધી તૈયારી કરજો.” તેઓ ચાલી નીકળ્યા, અને ઈસુએ જેવું કહ્યું હતું બરાબર તેવું જ તેમને મળ્યું; અને તેમણે પાસ્ખાપર્વનું ભોજન તૈયાર કર્યું. સમય થયો એટલે ઈસુ પોતાની જગ્યાએ પ્રેષિતો સાથે જમવા બેઠા. તેમણે તેમને કહ્યું, “હું દુ:ખ વેઠું તે પહેલાં તમારી સાથે પાસ્ખાપર્વનું આ ભોજન ખાવાની મને બહુ ઇચ્છા હતી. કારણ, હું તમને કહું છું કે ઈશ્વરના રાજમાં એનો અર્થ પરિપૂર્ણ થાય ત્યાં સુધી હું તે ફરી કદી ખાવાનો નથી.” પછી ઈસુએ પ્યાલો લીધો, ઈશ્વરની આભારસ્તુતિ કરી, અને કહ્યું, “લો,તમે સૌ એમાંથી પીઓ. કારણ, હું તમને કહું છું કે હવેથી હું ઈશ્વરનું રાજ આવે ત્યાં સુધી દ્રાક્ષનું પીણું પીવાનો નથી.” પછી તેમણે રોટલી લીધી, ઈશ્વરની આભારસ્તુતિ કરી, અને શિષ્યોને તે આપતાં કહ્યું, “આ મારું શરીર છે જે તમારે માટે આપવામાં આવે છે. મારી યાદગીરીને માટે આ કરો.” એ જ પ્રમાણે ભોજન કરી રહ્યા પછી તેમણે પ્યાલો આપતાં કહ્યું, “આ પ્યાલો તમારે માટે રેડાનાર મારા રક્તથી મંજૂર કરાયેલો ઈશ્વરનો નવો કરાર છે. “પણ જુઓ, મને દગાથી પકડાવી દેનાર તો મારી સાથે અહીં જમવા બેઠો છે! ઈશ્વરે નિર્માણ કર્યા મુજબ માનવપુત્ર તો જશે, પણ તેને પકડાવી દેનાર માણસની કેવી દુર્દશા થશે!” પછી, તેમનામાંથી કોણ એ કાર્ય કરવાનો છે તે અંગે તેઓ એક બીજાને પૂછવા લાગ્યા. શિષ્યોમાં સૌથી મોટું કોણ ગણાય એ અંગે વાદવિવાદ થયો. ઈસુએ તેમને કહ્યું, “આ દુનિયાના રાજવીઓ તેમની પ્રજા પર અધિકાર ભોગવે છે, અને રાજ્યર્ક્તાઓ તો પોતાને પ્રજાના ‘સેવકો’ કહેવડાવે છે! પણ તમારા સંબંધમાં એવું ન થવું જોઈએ. એથી ઊલટું, તમારામાં જે સૌથી મોટો હોય તેણે તો સૌથી નાના જેવા થવું, અને આગેવાનોએ નોકર જેવા બનવાનું છે. જમવા બેસનાર અને પીરસનાર એ બેમાંથી મોટું કોણ? અલબત્ત, જે જમવા બેસે છે તે જ. પણ હું તમારામાં પીરસનારના જેવો છું. “મારાં સંકટોમાં તમે સતત મારી સાથે રહ્યા છો; અને મારા પિતાએ જેમ મને રાજ્યાધિકાર આપ્યો છે, તેમ હું પણ તમને આપું છું. મારા રાજમાં તમે મારી સાથે ખાશો અને પીશો અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરવા માટે રાજ્યાસન પર બેસશો. “સિમોન! સિમોન! સાંભળ! જેમ ઘઉંને ચાળવામાં આવે છે તેમ તમારી ક્સોટી કરવાની શેતાને માગણી કરી છે. પણ તારો વિશ્વાસ ડગી ન જાય તે માટે મેં તારે માટે પ્રાર્થના કરી છે. જ્યારે તું મારી તરફ પાછો ફરે, ત્યારે તારા સાથી ભાઈઓને દઢ કરજે.” પિતરે જવાબ આપ્યો, “પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા અને મરવા પણ તૈયાર છું.” ઈસુએ જવાબ આપ્યો, “પિતર, હું તને કહું છું કે તું મને ઓળખતો નથી, એવું કૂકડો બોલે તે પહેલાં તું ત્રણવાર કહીશ.” પછી ઈસુએ તેમને કહ્યું, “મેં તમને પૈસાનું પાકીટ, થેલી અથવા પગરખાં વિના મોકલ્યા ત્યારે તમને કશાની તંગી પડી હતી?” તેમણે જવાબ આપ્યો, “ના, કશાની નહિ.” ઈસુએ કહ્યું, “પણ હવે તો જેની પાસે પૈસાનું પાકીટ કે થેલી હોય, તે પોતાની સાથે લઈ લે; અને જેની પાસે તલવાર ન હોય, તે પોતાનો ઝભ્ભો વેચીને પણ એક ખરીદે. કારણ, હું તમને કહું છું કે, ‘ગુનેગારોમાં તેની ગણના થઈ’ એવું જે ધર્મશાસ્ત્રમાં લખેલું છે, તે સાચું પડવું જોઈએ. કારણ કે મારા વિષે જે લખવામાં આવ્યું હતું તે સાચું પડી રહ્યું છે.” શિષ્યોએ કહ્યું, “પ્રભુ, જુઓ આ રહી બે તલવાર!” તેમણે જવાબ આપ્યો, “બસ, એટલી તો પૂરતી છે.” હંમેશની જેમ ઈસુ શહેર બહાર ઓલિવ પર્વત પર ગયા; અને શિષ્યો પણ તેમની સાથે ગયા. ત્યાં પહોંચ્યા એટલે તેમણે તેમને કહ્યું, “તમારું પ્રલોભન ન થાય તે માટે પ્રાર્થના કરો.” પછી પથ્થર ફેંક્ય તેટલે અંતરે તે તેમનાથી દૂર ગયા, અને ધૂંટણિયે પડીને પ્રાર્થના કરી; તેમણે કહ્યું, “હે પિતા, તમારી ઇચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો. છતાં મારી નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” [આકાશમાંથી આવેલો એક દૂત તેમને દેખાયો અને તેણે તેમને પ્રબળ કર્યા]. ભારે વેદનામાં તેમણે એથી પણ વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી; લોહીનાં ટીપાં જેવો તેમનો પરસેવો જમીન પર ટપકવા લાગ્યો. પ્રાર્થનામાંથી ઊભા થઈને તે શિષ્યો પાસે પાછા ગયા અને દુ:ખને કારણે થાકી ગયા હોવાથી તેમને ઊંઘતા જોયા. તેમણે કહ્યું, “તમે કેમ ઊંઘો છો? ઊઠો, તમારી ક્સોટી ન થાય તે માટે પ્રાર્થના કરો.” ઈસુ હજુ તો બોલતા હતા તેવામાં એક ટોળું આવ્યું. બાર શિષ્યોમાંનો એક એટલે યહૂદા તેમનો આગેવાન હતો. તેણે પાસે આવીને ઈસુને ચુંબન કર્યું. પણ ઈસુએ કહ્યું, “યહૂદા, શું તું માનવપુત્રને ચુંબન કરીને પકડાવી દે છે?” જે થવાનું હતું તે જોઈને ઈસુની સાથેના શિષ્યોએ કહ્યું, “પ્રભુ, અમે અમારી તલવાર ચલાવીએ?” અને એમાંના એકે તો મુખ્ય યજ્ઞકારના નોકર પર ઘા કર્યો અને તેનો જમણો કાન કાપી નાખ્યો. પણ ઈસુએ કહ્યું, “બસ!” પછી તેમણે એ માણસના કાનને સ્પર્શ કરીને તેને સાજો કર્યો. પછી ઈસુએ પોતાને પકડવા આવેલા મુખ્ય યજ્ઞકારો, મંદિરના સંરક્ષકોના અધિકારીઓ અને આગેવાનોને કહ્યું, “હું જાણે કે ચોરડાકુ હોઉં તેમ મને પકડવા માટે તમારે તલવારો અને લાકડીઓ લઈને કેમ આવવું પડયું? હું રોજ મંદિરમાં તમારી સાથે હતો, પણ તમે મને પકડયો નહિ. પણ અત્યારે અંધકારનો અધિકાર જામ્યો છે, અને તમારે માટે કાર્ય કરવાનો સમય આવી પહોંચ્યો છે.” તેઓ ઈસુની ધરપકડ કરીને તેમને મુખ્ય યજ્ઞકારને ઘેર લઈ ગયા. પિતર થોડે અંતરે રહી પાછળ પાછળ ગયો. આંગણાની મધ્યમાં અગ્નિ પેટાવ્યો હતો અને ત્યાં તેની આસપાસ બેઠેલા લોકો સાથે પિતર પણ બેસી ગયો. એક નોકરડીએ તેને તાપણે બેઠેલો જોયો, અને તેણે તેની સામે ધારીધારીને જોઈને કહ્યું, “આ માણસ પણ ઈસુની સાથે હતો.” પણ પિતરે ઇન્કાર કરતાં કહ્યું, “બહેન, હું તો તેને ઓળખતો પણ નથી!” થોડીવાર પછી એક માણસે તેને જોઈને કહ્યું, “તું પણ તેમનામાંનો જ છે!” પણ પિતરે ઇનકાર કરતાં કહ્યું, “ના, ભાઈ, ના! હું નથી!” એકાદ કલાક પછી બીજા એક માણસે ભારપૂર્વક કહ્યું, “બેશક, આ માણસ તેની સાથે હતો; કારણ, તે પણ ગાલીલવાસી છે!” પણ પિતરે જવાબ આપ્યો, “ભાઈ, હું તો તમે શું કહો છો તે પણ સમજી શક્તો નથી!” તે બોલતો હતો એવામાં તરત જ કૂકડો બોલ્યો. પ્રભુએ પાછા ફરીને પિતર તરફ નજર ઠેરવી, એટલે પિતરને પ્રભુના શબ્દો સાંભર્યા કે, “આજે કૂકડો બોલ્યા પહેલાં તું ત્રણવાર કહીશ કે તું મને ઓળખતો નથી.” પિતર બહાર જઈને હૈયાફાટ રડયો. ઈસુની ચોકી કરતા સૈનિકોએ તેમની મશ્કરી કરી અને તેમને માર માર્યો. તેમણે તેમની આંખો ઉપર પાટો બાંધ્યો અને તેમને પૂછયું, “કહે જોઈએ, તને કોણે માર્યો?” અને તેમણે ઈસુને બીજી ઘણી અપમાનજનક વાતો કહી. સવાર થતાં જ યહૂદીઓના આગેવાનો, મુખ્ય યજ્ઞકારો, અને નિયમશાસ્ત્રના શિક્ષકો એકઠા થયા, અને તેમની વરિષ્ઠ સભા સમક્ષ ઈસુને લાવવામાં આવ્યા. તેમણે પૂછયું, “શું તું મસીહ છે? જો હોય, તો અમને જણાવ.” તેમણે જવાબ આપ્યો, “જો હું તમને કહું તોપણ તમે મારું માનવાના નથી. તેમ જ જો હું તમને પ્રશ્ર્ન પૂછું તો તેનો તમે જવાબ પણ આપવાના નથી. પણ હવેથી માનવપુત્ર સર્વસમર્થ ઈશ્વરની જમણી બાજુએ બેસશે.” બધાએ પૂછયું, “તો શું તું ઈશ્વરપુત્ર છે?” તેમણે તેમને જવાબ આપ્યો, “હું એ છું એવું તમે જ કહો છો.” અને તેમણે કહ્યું, “આપણે કોઈ સાક્ષીઓની જરૂર નથી. આપણે પોતે જ તેના શબ્દો સાંભળ્યા છે!” સભા બરખાસ્ત કરવામાં આવી, અને તેઓ ઈસુને પિલાત સમક્ષ લઈ ગયા. અને ત્યાં તેઓ તેમના પર આરોપ મૂકવા લાગ્યા, “આ માણસને અમે અમારા લોકોને ગેરમાર્ગે દોરતાં પકડયો છે. તે તેમને સમ્રાટને કરવેરા ભરવાની મના કરે છે, અને પોતે ખ્રિસ્ત, એટલે રાજા હોવાનો દાવો કરે છે.” પિલાતે પ્રશ્ર્ન પૂછયો, “તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “તેવું તમે કહો છો.” પછી પિલાતે મુખ્ય યજ્ઞકારો અને ટોળાને કહ્યું, “મને આ માણસમાં કંઈ દોષ દેખાતો નથી.” પણ તેમણે વિશેષ આગ્રહ કર્યો, “તે તેના શિક્ષણ દ્વારા આખા યહૂદિયાના લોકોને ઉશ્કરે છે. ગાલીલમાં તેણે આરંભ કર્યો, અને હવે અહીં પણ આવ્યો છે.” એ સાંભળીને પિલાતે પૂછયું, “શું આ માણસ ગાલીલવાસી છે?” ઈસુ હેરોદની સત્તા નીચેના પ્રદેશનો છે એવું પિલાતે જાણ્યું, ત્યારે તેણે ઈસુને હેરોદ પાસે મોકલ્યો. તે સમયે હેરોદ યરુશાલેમમાં હતો. ઈસુને જોઈને હેરોદ ઘણો ખુશ થઈ ગયો, કારણ, તેણે તેમના સંબંધી સાંભળ્યું હતું, અને ઘણા લાંબા સમયથી તે તેમને મળવા માગતો હતો. ઈસુ કંઈક ચમત્કાર કરે તો તે જોવાની તે આશા રાખતો હતો. તેથી હેરોદે ઈસુને ઘણા પ્રશ્ર્નો પૂછયા, પણ ઈસુ એકપણ શબ્દ બોલ્યા નહિ. મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ આગળ આવીને ઈસુ પર આવેશપૂર્વક આક્ષેપો મૂક્યા. હેરોદ અને તેના સૈનિકોએ ઈસુની મશ્કરી કરી અને તેમના પ્રત્યે તિરસ્કારયુક્ત વર્તન દાખવ્યું. પછી તેમણે તેમને સુંદર ઝભ્ભો પહેરાવીને પિલાત પાસે પાછા મોકલ્યા. તે જ દિવસે હેરોદ અને પિલાત વચ્ચે મિત્રતા થઈ; તે પહેલાં તો તેઓ એકબીજાના દુશ્મન હતા. પિલાતે મુખ્ય યજ્ઞકારો, આગેવાનો અને લોકોને બોલાવીને એકઠા કર્યા, અને તેમને કહ્યું, “તમે આ માણસને મારી પાસે લાવીને કહ્યું કે તે લોકોને ગેરમાર્ગે દોરે છે. હવે, અહીં તમારી સમક્ષ મેં તેની તપાસ કરી, અને તમે તેની વિરુદ્ધ જે આક્ષેપો મૂકો છો, તેમાંના એકેય આક્ષેપ વિષે તે મને દોષિત માલૂમ પડયો નથી. હેરોદને પણ તેનામાં કંઈ દોષ જણાયો નથી, કારણ, તેણે તેને આપણી પાસે પાછો મોકલી આપ્યો છે. મોતની સજા થાય તેવું આ માણસે કંઈ કર્યું નથી. એટલે હું તેને ચાબખા મરાવીને છોડી મૂકીશ.” [પ્રત્યેક પાસ્ખાપર્વ સમયે પિલાતે લોકોને માટે એક કેદીને છૂટો કરવો પડતો હતો]. આખા ટોળાએ પોકાર કર્યો, “તેને મારી નાખો! અમારે માટે બારાબાસને સ્વતંત્ર કરો!” બારાબાસને તો શહેરમાં એક હુલ્લડને કારણે અને ખૂન કરવાને લીધે જેલમાં પૂરવામાં આવ્યો હતો. પિલાત ઈસુને મુક્ત કરવા માગતો હતો, તેથી તેણે ફરીથી ટોળાને પૂછયું, પણ તેમણે બૂમો પાડવાનું ચાલુ રાખ્યું, “તેને ક્રૂસે જડો! ક્રૂસે જડો! પિલાતે તેમને ત્રીજી વાર કહ્યું, “પણ તેણે શો ગુનો કર્યો છે? મોતની સજા થાય તેવું મને તેનામાં કંઈ જણાતું નથી. એટલે હું તેને ચાબખા મરાવીને છોડી મૂકીશ.” પણ તેઓ સતત જોરજોરથી પોકારતા રહ્યા કે ઈસુને ક્રૂસે જડવામાં આવે, અને અંતે તેમના બૂમબરાડા ફાવ્યા. તેથી તેમની માગણી પ્રમાણે પિલાતે ઈસુને સજા ફરમાવી. હુલ્લડ તથા ખૂનને કારણે જેલમાં પૂરવામાં આવેલા બારાબાસને લોકોની માગણી મુજબ તેણે મુક્ત કર્યો, અને ઈસુને લોકોની ઇચ્છા પ્રમાણે કરવાને સોંપ્યા. તેઓ ઈસુને લઈ ગયા. જતાં જતાં તેમને કુરેનીનો સિમોન મળ્યો. તે ગામડેથી શહેરમાં આવતો હતો. તેમણે તેને પકડયો, તેની પાસે ક્રૂસ ઊંચકાવ્યો અને ઈસુની પાછળ પાછળ આવવા કહ્યું. તેમની પાછળ મોટું ટોળું જતું હતું; તેમનામાં ઈસુને માટે રડતીકકળતી કેટલીક સ્ત્રીઓ પણ હતી. ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું, “યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડશો નહિ; બલ્કે, તમારે માટે અને તમારાં બાળકોને માટે રડો. કારણ, એવા દિવસો આવશે જ્યારે લોકો કહેશે, ‘જેમને કદી છોકરાં થયાં નથી, જેમણે કદી બાળકોને જન્મ આપ્યો નથી અને જેમણે તેમને સ્તનપાન કરાવ્યું નથી તેમને ધન્ય છે!’ ત્યારે લોકો પર્વતોને કહેશે, ‘અમારા પર પડો!’ અને ટેકરાઓને કહેશે, ‘અમને સંતાડો!’ કારણ, જો તેઓ લીલા વૃક્ષને આમ કરે છે, તો સૂકાને શું નહિ કરે?” તેમણે બીજા બે ગુનેગારોને પણ ઈસુની સાથે સાથે મારી નાખવા માટે લીધા હતા. ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા, અને ત્યાં ઈસુને તેમજ બે ગુનેગારોને ક્રૂસે જડયા. એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ. ઈસુએ કહ્યું, “હે પિતા, આ લોકોને ક્ષમા કરો! પોતે શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.” ચિઠ્ઠી નાખીને તેમણે તેમનાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં. લોકો ઊભા ઊભા નિહાળતા હતા, પણ યહૂદી આગેવાનો ઈસુની મશ્કરી ઉડાવતા હતા, “તેણે બીજાઓને બચાવ્યા; જો તે ઈશ્વરે પસંદ કરેલ મસીહ હોય, તો પોતાને બચાવે!” સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી; તેમણે પાસે જઈને તેમને હલકો દારૂ આપ્યો અને કહ્યું, “જો તું યહૂદીઓનો રાજા હોય, તો પોતાને બચાવ!” કારણ, ઈસુના માથા આગળ ક્રૂસ ઉપર લેખ લખેલો હતો, “આ યહૂદિયાઓનો રાજા છે.” ક્રૂસે લટકાવેલા ગુનેગારોમાં એકે તેનું અપમાન કર્યું, “શું તુ મસીહ નથી! તો પોતાને તથા અમને પણ બચાવ!” પણ બીજાએ તેને ધમકાવીને કહ્યું, “તું ઈશ્વરથી પણ ડરતો નથી? આપણે બધા એક જ પ્રકારની સજા ભોગવી રહ્યા છીએ. છતાં આપણી સજા તો વાજબી છે, કારણ, આપણે જે કર્યું તેને ઘટતું ફળ ભોગવીએ છીએ; પણ તેમણે તો કંઈ જ ખોટું કર્યું નથી.” અને તેણે ઈસુને કહ્યું, “ઓ ઈસુ, તમે રાજા તરીકે આવો, ત્યારે મને યાદ કરજો.” ઈસુએ તેને કહ્યું, “હું તને સાચે જ કહું છું: તું આજે મારી સાથે પારાદૈસમાં હોઈશ.” બપોરના લગભગ બાર વાગ્યા હતા, ત્યારે જ સૂર્ય પ્રકાશતો બંધ થઈ ગયો અને ત્રણ વાગ્યા સુધી આખા દેશ પર અંધકાર છવાઈ ગયો. વળી, મંદિરનો પડદો વચ્ચેથી ફાટી ગયો. ઈસુએ મોટે સાદે બૂમ પાડી, “પિતાજી, તમારા હાથમાં મારો આત્મા સોંપું છું!” એમ કહીને તે મરણ પામ્યા. જે બન્યું હતું તે જોઈને લશ્કરના અધિકારીએ ઈશ્વરની સ્તુતિ કરતાં કહ્યું, “ખરેખર, આ ન્યાયી માણસ હતો.” આ દૃશ્ય જોવા એકઠા મળેલા લોકો આ ઘટનાઓ જોઈને છાતી કૂટતા કૂટતા ઘેર ગયા. ગાલીલમાંથી ઈસુની પાછળ પાછળ આવેલી સ્ત્રીઓ તેમજ ઈસુના અંગત ઓળખીતાઓ થોડે દૂર ઊભાં હતાં, અને તેઓ આ બધું જોઈ રહ્યાં હતાં. યહૂદીઓના શહેર આરીમથાઈનો યોસેફ નામે એક માણસ હતો. તે ભલો અને ધર્મિષ્ઠ હતો અને ઈશ્વરના રાજની વાટ જોતો હતો. યહૂદીઓની ન્યાયસભાનો સભ્ય હોવા છતાં તે તેમના નિર્ણય અને કાર્ય સાથે સંમત થયો ન હતો. તેણે પિલાત સમક્ષ જઈને ઈસુના શબની માગણી કરી. પછી તેણે શબ ઉતાર્યું અને અળસીરેસાનાં શ્વેત વસ્ત્રમાં વીટીંને ખડકમાં કોરી કાઢેલી અને વણવપરાયેલી કબરમાં મૂકાયું. તે દિવસ તૈયારીનો દિવસ હતો અને વિશ્રામવાર શરૂ થવામાં હતો. ગાલીલમાંથી ઈસુની પાછળ પાછળ આવેલી સ્ત્રીઓ યોસેફની સાથે ગઈ અને કબર તથા તેમાં ઈસુનું શબ કેવી રીતે મૂકવામાં આવ્યું હતું તે જોયું. પછી તેઓ પાછા ઘેર ગયાં અને મૃતદેહને માટે સુગંધી દ્રવ્યો તથા અત્તર તૈયાર કર્યાં. નિયમશાસ્ત્ર પ્રમાણે વિશ્રામવારે તેમણે આરામ કર્યો. રવિવારે વહેલી સવારે, એ સ્ત્રીઓ પોતે તૈયાર કરેલાં સુગંધી દ્રવ્યો લઈને કબર પાસે ગઈ. તેમણે જોયું તો કબરના પ્રવેશદ્વાર પરથી પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો. તેથી તેઓ અંદર પ્રવેશી; પણ તેમણે પ્રભુ ઈસુનું શબ જોયું નહિ. તેઓ એ અંગે વિમાસણમાં પડી ગઈ. અચાનક ઝળહળતાં વસ્ત્રો પહેરેલા બે માણસો તેમની પાસે ઊભા રહ્યા. તેઓ ગભરાઈ ગઈ અને નીચું જોઈને ઊભી રહી ત્યારે એ માણસોએ કહ્યું, “જીવંત થયેલાને તમે મરેલામાં કેમ શોધો છો? તે અહીં નથી પણ સજીવન થયા છે. તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને જે કહ્યું હતું તે યાદ કરો: ‘માનવપુત્ર દુષ્ટોના હાથમાં સોંપી દેવાય, ક્રૂસે જડાય અને ત્રીજે દિવસે પાછા સજીવન કરાય એ જરૂરી છે.” પછી સ્ત્રીઓને ઈસુના શબ્દો યાદ આવતાં, તેઓ કબરેથી પાછી ફરી અને અગિયાર શિષ્યોને તથા બીજા બધાને આ વાતો જણાવી. એ સ્ત્રીઓમાં માગ્દાલાની મિર્યામ, યોહાન્‍ના અને યાકોબની મા મિર્યામ હતાં. તેમણે તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓએ આ વાતો પ્રેષિતોને જણાવી. પણ પ્રેષિતોએ વિચાર્યું કે સ્ત્રીઓએ જણાવેલી વાતો પોકળ છે, અને તેમણે તેમનું માન્યું નહિ. પણ પિતર ઊઠીને કબર પાસે દોડી ગયો. તેણે નમીને જોયું તો કફનનાં કપડાં સિવાય બીજું કશું દેખાયું નહિ, પછી જે બન્યું હતું તેથી અચંબો પામતો તે ઘેર ગયો. એ જ દિવસે તેમનામાંના બે યરુશાલેમથી આશરે દસ કિલોમીટર દૂર આવેલા એમ્મૌસ નામના ગામે જતા હતા, અને આ બધી બનેલી બીનાઓ વિષે એકબીજાની સાથે વાતચીત કરતા હતા. તેઓ વાતચીત અને ચર્ચા કરતા હતા, એવામાં ઈસુ પોતે નજીક આવ્યા અને તેમની સાથે ચાલવા લાગ્યા. તેમણે તેમને જોયા, પણ તેઓ તેમને ઓળખી શક્યા નહિ. ઈસુએ તેમને કહ્યું, “માર્ગે ચાલતાં ચાલતાં તમે કયા વિષયની ચર્ચા કરી રહ્યા છો?” તેઓ ઉદાસ ચહેરે થંભી ગયા. કલીઓપાસે તેમને પૂછયું, “યરુશાલેમમાં ઊતર્યા હોવા છતાં માત્ર તમે જ એવા છો કે જેમને છેલ્લા થોડાક દિવસો દરમિયાન ત્યાં બનેલા બનાવોની ખબર નથી.” તેમણે પૂછયું, “કયા બનાવો?” તેમણે જવાબ આપ્યો, “નાઝારેથના ઈસુ પર જે વીત્યું તે. તે તો ઈશ્વરની તેમ જ માણસોની સમક્ષ વાણી અને કાર્યમાં ઈશ્વરના સમર્થ સંદેશવાહક હતા. અમારા મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોએ તેમને મોતની સજાને માટે સોંપી દીધા અને તેમને ક્રૂસે જડવામાં આવ્યા. પણ અમને આશા હતી કે તે ઇઝરાયલના મુક્તિદાતા બનશે. એ સર્વ ઉપરાંત એ બધું બન્યાને આજે ત્રીજો દિવસ થયો છે. અમારા જૂથની કેટલીક બહેનોએ અમને અચંબો પમાડયો છે; તેઓ વહેલી સવારે કબર પાસે ગઈ હતી. પણ તેમણે તેમનું શબ જોયું નહિ. તેમણે પાછા આવીને કહ્યું કે અમને દૂતોનું દર્શન થયું છે. દૂતોએ તેમને કહ્યું કે ઈસુ જીવંત થયા છે. અમારા જૂથના કેટલાક માણસો કબર પાસે ગયા, તો બહેનોએ જેવું કહ્યું હતું તેવું જ જોયું, પણ તેમણે ઈસુને જોયા નહિ.” પછી ઈસુએ તેમને કહ્યું, “ઓ અબુધો, અને સંદેશવાહકોએ કહેલી બધી બાબતો સમજવામાં અક્કલ વગરનાઓ! આ બધી બાબતો સહન કરીને મસીહ પોતાના મહિમામાં પ્રવેશે એ તેમને માટે જરૂરી ન હતું?” પછી ઈસુએ આખા ધર્મશાસ્ત્રમાંથી મોશેના પુસ્તકોથી શરૂઆત કરીને બધા સંદેશવાહકોના લખાણોમાં પોતાના સંબંધી જે જે કહેલું છે તે તેમને સમજાવ્યું. તેઓ જે ગામ જતા હતા તેની નજીક આવી પહોંચ્યા, ત્યારે ઈસુ જાણે કે પોતે આગળ જતા હોય તેવો દેખાવ કર્યો. પણ તેમણે ઈસુને આગ્રહ કરતાં કહ્યું, “સાંજ થવા આવી છે અને અંધારું થઈ જશે, માટે અમારી સાથે જ રહો. તેથી તેઓ તેમની સાથે ઘરમાં ગયા. તે તેમની સાથે જમવા બેઠા, તેમણે રોટલી લીધી, ઈશ્વરની સ્તુતિ કરી અને ભાંગીને તેમને આપી. તરત જ તેમની આંખો ઊઘડી ગઈ એટલે તેમણે ઈસુને ઓળખી કાઢયા; પણ તે તેમની દૃષ્ટિમાંથી અદૃશ્ય થઈ ગયા. તેમણે એકબીજાને કહ્યું, “તે આપણી સાથે રસ્તે ચાલતા હતા અને આપણને ધર્મશાસ્ત્ર સમજાવતા હતા, ત્યારે આપણાં હૃદયો કેવાં ઉષ્માભર્યા બન્યાં હતાં?” તેઓ તરત જ ઊઠીને યરુશાલેમ પાછા ગયા, અને ત્યાં અગિયાર શિષ્યો અને બીજાઓને એકઠા મળેલા જોયા. તેઓ કહેતા હતા, “પ્રભુ ખરેખર ઊઠયા છે! તેમણે સિમોનને દર્શન આપ્યું છે!” પછી તેમણે રસ્તે ચાલતાં શું બન્યું હતું, અને પ્રભુ રોટલી ભાંગતા હતા ત્યારે કેવી રીતે તેમણે તેમને ઓળખી કાઢયા હતા તે કહી સંભળાવ્યું. તેઓ તેમને એ વાત કરતા હતા એવામાં પ્રભુ પોતે જ તેમની મયે એકાએક પ્રગટ થયા. અને તેમને કહ્યું, “તમને શાંતિ થાઓ.” તેઓ ચોંકી ઊઠયા અને ગભરાઈ ગયા. તેમને થયું કે આપણે કોઈ આત્મા જોઈ રહ્યા છીએ. પણ ઈસુએ કહ્યું, “તમે કેમ ગભરાઓ છો? તમારા મનમાં આવી શંકાઓ કેમ પેદા થાય છે? મારા હાથ અને મારા પગ જુઓ અને જાણો કે એ તો હું પોતે છું. મને સ્પર્શી જુઓ એટલે તમને ખબર પડશે; કારણ, જેમ મને છે તેમ આત્માને હાડમાંસ હોતાં નથી. તેમણે એ કહીને તેમને પોતાના હાથપગ બતાવ્યા. આ બનાવ એટલો બધો આનંદદાયક હતો કે તેઓ તે સાચો માની શક્યા નહિ, અને વિચારમાં પડી ગયા હતા. એવામાં જ તેમણે તેમને પૂછયું, “તમારી પાસે કંઈ ખાવાનું છે?” તેમણે તેમને શેકેલી માછલીનો એક ટુકડો આપ્યો. તેમણે તે લઈને તેમની હાજરીમાં ખાધો. પછી તેમણે તેમને કહ્યું, “હું જ્યારે તમારી સાથે હતો, ત્યારે આ જ વાતો મેં તમને કહી હતી, ‘મોશેના નિયમશાસ્ત્રમાં, સંદેશવાહકોનાં લખાણોમાં અને ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું સાચું પડવું જ જોઈએ.” પછી ધર્મશાસ્ત્ર સમજવા માટે તેમણે તેમનાં મન ખોલ્યાં; અને તેમને કહ્યું, “લખવામાં આવ્યું છે કે, મસીહે દુ:ખો સહન કરવાં જોઈએ અને ત્રીજે દિવસે મરણમાંથી પાછા ઊઠવું જોઈએ. તેના નામમાં યરુશાલેમથી શરૂ કરીને બધી પ્રજાઓને ‘પાપથી પાછા ફરો અને ઈશ્વર તમારાં પાપ માફ કરશે,’ એ સંદેશો તમારે પ્રગટ કરવો જોઈએ. તમે આ બધી વાતોના સાક્ષી છો. મારા પિતાએ જે દાન આપવાનું વચન આપ્યું છે, તે હું તમારા પર મોકલી આપીશ. પણ તમારા પર ઉપરથી પરાક્રમ ઊતરે ત્યાં સુધી તમે આ શહેરમાં જ રહેજો.” પછી ઈસુ શિષ્યોને શહેર બહાર બેથાનિયા સુધી લઈ ગયા, અને ત્યાં તેમણે હાથ ઊંચા કરીને તેમને આશિષ આપી. તેઓ તેમને આશિષ આપતા હતા, તેવામાં ઈસુ તેમનાથી છૂટા પડયા અને આકાશમાં લઈ લેવાયા. તેમણે તેમની આરાધના કરી અને ખૂબ હરખાતા હરખાતા યરુશાલેમ પાછા આવ્યા; અને તેમણે મંદિરમાં ઈશ્વરની સ્તુતિ કરવાનું જારી રાખ્યું. સૃષ્ટિના આરંભ પહેલાં શબ્દ નું અસ્તિત્વ હતું. તે ઈશ્વરની સાથે હતો, અને જે ઈશ્વર હતા તે જ તે હતો. શબ્દ ઈશ્વરની સાથે આરંભથી જ હતો. તેના દ્વારા જ ઈશ્વરે બધાંનું સર્જન કર્યું, અને તે સર્જનમાંની કોઈપણ વસ્તુ તેના વિના બનાવવામાં આવી ન હતી. શબ્દ જીવનનું ઉદ્ભવસ્થાન હતો અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવ્યું. આ પ્રકાશ અંધકારમાં પ્રકાશે છે, અને અંધકાર તેને કદી હોલવી શક્તો નથી. ઈશ્વરે પોતાના સંદેશવાહક યોહાનને મોકલ્યો. તે લોકોને એ પ્રકાશ વિષે સાક્ષી આપવા આવ્યો; જેથી બધા માણસો એનો સંદેશો સાંભળીને વિશ્વાસ કરે. યોહાન પોતે એ પ્રકાશ ન હતો, પરંતુ પ્રકાશ વિષે તે સાક્ષી આપવા આવ્યો હતો. ખરો પ્રકાશ તો એ હતો કે જે દુનિયામાં આવે છે અને સઘળા માણસો પર પ્રકાશે છે. શબ્દ દુનિયામાં હતો. ઈશ્વરે તેના દ્વારા જ આ દુનિયા બનાવી; પણ દુનિયાએ તેને ઓળખ્યો નહિ. તે પોતાના લોકોની પાસે આવ્યો, પરંતુ તેમણે તેનો સ્વીકાર કર્યો નહિ. છતાં કેટલાકે તેનો સ્વીકાર કર્યો અને તેના નામ પર વિશ્વાસ મૂક્યો. તેથી તેણે તેમને ઈશ્વરનાં બાળકો થવાનો અધિકાર આપ્યો. તેઓ માનવી પિતા દ્વારા શારીરિક જન્મથી નહિ પણ ઈશ્વર દ્વારા જન્મ પામીને ઈશ્વરનાં બાળકો બન્યાં. શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો. યોહાને તેના વિષે સાક્ષી આપતાં પોકાર્યું, “જેમના સંબંધી હું કહેતો હતો કે, જે મારા પછીથી આવે છે પણ મારાથી મહાન છે, અને મારા જન્મ અગાઉ હયાત હતા તે જ આ વ્યક્તિ છે.” તેમની કૃપાના ભરપૂરીપણામાંથી તેમણે આપણને બધાને આશિષ પર આશિષ આપી છે. ઈશ્વરે મોશેની મારફતે નિયમશાસ્ત્ર આપ્યું, પરંતુ કૃપા અને સત્યતા તો ઈસુ ખ્રિસ્તની મારફતે આપવામાં આવ્યાં. કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. પુત્ર જે ઈશ્વર છે અને જે ઈશ્વરપિતાની અત્યંત નિકટ છે, માત્ર તેમણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે. યરુશાલેમમાંના યહૂદી અધિકારીઓએ યજ્ઞકારોને અને લેવીઓને યોહાન પાસે મોકલીને તેને પુછાવ્યું, “તમારી ઓળખાણ આપશો?” યોહાને જવાબ આપવાની ના પાડી નહિ, પરંતુ સ્પષ્ટ વાત કરી. તેમણે કહ્યું, “હું આવનાર મસીહ નથી.” તેમણે તેને પૂછયું, “તો તમે કોણ છો? એલિયા છો?” યોહાને જવાબ આપ્યો, “ના, હું તે પણ નથી.” વળી તેમણે પૂછયું, “શું તમે આવનાર સંદેશવાહક છો?” તેણે જવાબ આપ્યો, “ના.” એટલે તેમણે પૂછયું, “તો તમે છો કોણ? તમે પોતે તમારા વિષે શું કહો છો? કારણ, અમને મોકલનાર પાસે અમારે જવાબ લઈ જવાનો છે.” યોહાને જવાબ આપ્યો, “ઈશ્વરના સંદેશવાહક યશાયાએ કહ્યું હતું તે પ્રમાણે હું તો ‘પ્રભુને માટે માર્ગ સરખો કરો,’ એવી વેરાનમાં બૂમ પાડનારની વાણી છું.” આ પૂછપરછ કરનારાઓને ફરોશીઓએ મોકલ્યા હતા. તેમણે યોહાનને પૂછયું, “જો, તમે આવનાર મસીહ નથી, એલિયા નથી કે આવનાર સંદેશવાહક નથી, તો તમે બાપ્તિસ્મા કેમ આપો છો?” યોહાને જવાબ આપ્યો, “હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી મયે જે એક ઊભા છે તેમને તમે ઓળખતા નથી; તે મારા પછીથી આવે છે, પરંતુ હું તો વાધરી છોડીને તેમનાં ચંપલ ઉતારવા જેવોય યોગ્ય નથી.” યર્દન નદીના પૂર્વ કિનારે આવેલા બેથાનિયામાં જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો ત્યાં એ બધું બન્યું. બીજે દિવસે યોહાને ઈસુને પોતાની તરફ આવતા જોઈને પોકાર્યું, “જુઓ ઈશ્વરનું હલવાન! તે દુનિયાનાં પાપ દૂર કરે છે. જેમને વિષે હું તમને કહેતો હતો કે, ‘એક માણસ મારા પછી આવે છે, પરંતુ તે મારા કરતાં મહાન છે; કારણ, તે મારા જન્મ પહેલાં હયાતી ધરાવે છે, તે જ આ વ્યક્તિ છે. મને ખબર નહોતી કે તે કોણ હશે. પરંતુ ઇઝરાયલને તેમની ઓળખ થાય તે માટે હું પાણીથી બાપ્તિસ્મા આપું છું.” યોહાને આ પ્રમાણે સાક્ષી આપી, “મેં આત્માને કબૂતરની જેમ આકાશમાંથી ઊતરતો અને તેમના પર સ્થિર થતો જોયો. હું તેમને ઓળખી શક્યો નહોતો, પરંતુ મને પાણીથી બાપ્તિસ્મા કરવા મોકલનાર ઈશ્વરે મને કહ્યું હતું, ‘તું આત્માને જેના પર ઊતરતો અને સ્થિર થતો જોઈશ, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપનાર હશે.” વળી, યોહાને કહ્યું, “મેં એ જોયું છે, અને હું તમને સાક્ષી આપું છું કે તે ઈશ્વરપુત્ર છે.” બીજે દિવસે ફરીથી યોહાન પોતાના બે શિષ્યો સાથે ત્યાં હતો. તેણે ઈસુને નજીકમાં ફરતા જોઈને કહ્યું, “જુઓ, ઈશ્વરનું હલવાન!” પેલા બે શિષ્યો તેને તેમ કહેતો સાંભળીને ઈસુની પાછળ ગયા. ઈસુએ પાછા વળીને તેમને પોતાની પાછળ આવતા જોઈને પૂછયું, “તમે શું શોધો છો?” તેમણે જવાબ આપ્યો, “રાબ્બી, (આ શબ્દનો અર્થ ‘ગુરુજી’ થાય છે) તમે ક્યાં વસો છો?” તેમણે તેમને કહ્યું, “આવીને જુઓ.” તેથી તેઓ તેમની સાથે ગયા અને તે ક્યાં વસતા હતા તે જોયું અને બાકીનો દિવસ તેમની સાથે ગાળ્યો. ત્યારે બપોરના ચારેક વાગ્યા હતા. યોહાનનું સાંભળીને ઈસુની પાછળ જનારામાં એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા હતો. સૌ પ્રથમ આંદ્રિયાએ પોતાના ભાઈ સિમોનને શોધી કાઢયો, અને તેને કહ્યું, “અમને મસીહ અર્થાત્ ખ્રિસ્ત મળ્યા છે.” પછી તે સિમોનને ઈસુની પાસે લઈ ગયો. ઈસુએ સિમોન પર દૃષ્ટિ ઠેરવતાં કહ્યું, “યોહાનના દીકરા સિમોન, તું ‘કેફા’ (એટલે કે ‘પિતર’ અર્થાત્ ખડક) કહેવાશે.” બીજે દિવસે ઈસુએ ગાલીલના પ્રદેશમાં જવાનું વિચાર્યું. તેમણે ફિલિપને શોધી કાઢયો, અને તેને કહ્યું, “મને અનુસર!” ફિલિપ બેથસાઈદાનો વતની હતો; તે આંદ્રિયા તથા પિતરનું ગામ હતું. ફિલિપે નાથાનાએલને મળીને કહ્યું, “જેના વિષે મોશેએ નિયમશાસ્ત્રમાં અને સંદેશવાહકોનાં પુસ્તકોમાં લખેલું છે, તે અમને મળ્યા છે. તે તો યોસેફના પુત્ર, નાઝારેથના ઈસુ છે.” નાથાનાએલે પૂછયું, “અરે, નાઝારેથમાંથી કંઈ સારું નીપજે ખરું?” ફિલિપે જવાબ આપ્યો, “આવીને જો.” ઈસુએ નાથાનાએલને પોતાની પાસે આવતો જોઈને કહ્યું, “આ ખરો ઇઝરાયલી છે! તેનામાં કંઈ કપટ નથી!” નાથાનાએલે તેને પૂછયું, “તમે મને કેવી રીતે ઓળખો છો?” ઈસુએ જવાબ આપ્યો, “ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં તું અંજીરી નીચે ઊભો હતો, ત્યારે મેં તને જોયેલો.” નાથાનાએલે જવાબ આપ્યો, “ગુરુજી, તમે ઈશ્વરના પુત્ર છો! તમે ઇઝરાયલના રાજા છો!” ઈસુએ કહ્યું, “તું અંજીરી નીચે ઊભો હતો ત્યારે મેં તને જોયેલો, એમ મેં તને કહ્યું એટલા પરથી જ શું તું વિશ્વાસ કરે છે? અરે, એના કરતાં પણ વધુ મહાન બાબતો તું જોઈશ!” તેમણે તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: તમે આકાશ ઊઘડી ગયેલું અને ઈશ્વરના દૂતોને આકાશમાંથી માનવપુત્ર ઉપર ઊતરતા અને આકાશમાં ચઢતા જોશો.” ત્રીજે દિવસે ગાલીલના કાના ગામમાં લગ્નપ્રસંગ હતો. ઈસુનાં મા ત્યાં હતાં, અને ઈસુ તથા તેમના શિષ્યોને પણ લગ્નમાં નિમંત્રણ આપવામાં આવ્યું હતું. બધોય દ્રાક્ષાસવ પીવાઈ ગયો એટલે ઈસુને તેમનાં માએ કહ્યું, “દ્રાક્ષાસવ ખલાસ થઈ ગયો છે.” ઈસુએ કહ્યું, “બાઈ, એમાં તમારે કે મારે શું? મારો સમય હજુ પાક્યો નથી.” પછી ઈસુનાં માએ નોકરોને કહ્યું, “તે જે કંઈ કહે તે કરો.” શુદ્ધિકરણ સંબંધી યહૂદી લોકોના ધાર્મિક નિયમો છે, અને એ હેતુ માટે આશરે સો લિટરની એક એવી પથ્થરની છ કોઠીઓ ત્યાં પડેલી હતી. ઈસુએ નોકરોને કહ્યું, “આ કોઠીઓમાં પાણી ભરો.” તેમણે તે કોઠીઓ છલોછલ ભરી. પછી ઈસુએ તેમને કહ્યું, “હવે તેમાંથી થોડું ભોજનના વ્યવસ્થાપક પાસે લઈ જાઓ.” તેઓ તે તેની પાસે લઈ ગયા. તેણે દ્રાક્ષાસવમાં ફેરવાઈ ગયેલું પાણી ચાખ્યું. આ દ્રાક્ષાસવ ક્યાંથી આવ્યો તેની તેને ખબર ન હતી. પરંતુ જે નોકરોએ પાણી કાઢયું હતું તેમને ખબર હતી. ત્યારે તેણે વરરાજાને બોલાવીને કહ્યું, “બધા પ્રથમ ઉત્તમ દ્રાક્ષાસવ પીરસે છે અને મહેમાનો સારી પેઠે પી રહે પછી હલકો દ્રાક્ષાસવ પીરસે છે. પરંતુ તમે તો અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષાસવ રાખી મૂક્યો છે!” ઈસુએ પોતાનાં અદ્‍ભુત કાર્યોની શરૂઆત ગાલીલના કાના ગામથી કરી અને ત્યાં તેમણે પોતાનો મહિમા પ્રગટ કર્યો અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો. આ પછી ઈસુ અને તેમનાં મા, તેમના ભાઈઓ અને શિષ્યો કાપરનાહૂમ ગયાં અને થોડા દિવસ ત્યાં રહ્યાં. યહૂદીઓના પાસ્ખા પર્વનો સમય પાસે આવ્યો હતો, તેથી ઈસુ યરુશાલેમ ગયા. મંદિરમાં તેમણે પશુઓ, ઘેટાં અને કબૂતર વેચનારાઓને અને શરાફોને પોતાના ગલ્લે બેઠેલા જોયા. તેમણે ઝીણી દોરીઓનો ચાબુક બનાવ્યો અને ઘેટાં અને પશુઓ સાથે બધાંને મંદિરમાંથી હાંકી કાઢયા, શરાફોના ગલ્લા ઊથલાવી પાડયા અને તેમના સિક્કા વેરવિખેર કરી નાખ્યા. કબૂતર વેચનારાઓને તેમણે આજ્ઞા કરી, “આ બધું અહીંથી બહાર લઈ જાઓ! મારા પિતાના ઘરને તમે બજાર ન બનાવો!” તેમના શિષ્યોને ધર્મશાસ્ત્રમાં લખેલું યાદ આવ્યું, “હું તો તમારા ઘર પ્રત્યેના આવેશથી જલી ઊઠયો છું.” યહૂદી અધિકારીઓએ તેમની પાસે પાછા આવીને પૂછયું, “આ બધું કરવાનો અધિકાર તમે કયા અદ્‍ભુત કાર્યથી પુરવાર કરી શકો છો?” ઈસુએ જવાબ આપ્યો, “આ મંદિરને તોડી પાડો; હું તેને ત્રણ દિવસમાં ફરી ઊભું કરી દઈશ.” તેમણે પૂછયું, “શું ત્રણ દિવસમાં તમે તેને ફરી બાંધી દેશો? તેને બાંધતાં તો છેંતાળીસ વર્ષ લાગ્યાં છે!” પરંતુ ઈસુ તો પોતાના શરીરરૂપી મંદિર વિષે કહેતા હતા. તેથી જ્યારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને આ વાત યાદ આવી. અને તેમણે ધર્મશાસ્ત્ર પર અને ઈસુએ જે કહ્યું હતું તે પર વિશ્વાસ કર્યો. હવે પાસ્ખાપર્વ દરમિયાન ઈસુ યરુશાલેમમાં હતા ત્યારે જે અદ્‍ભુત કાર્યો તેમણે કર્યાં હતાં તે જોઈને ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો. પરંતુ ઈસુએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ, કારણ, તે બધા માણસોને સારી રીતે જાણતા હતા. માણસો વિષે કોઈ તેમને કંઈ કહે એવી જરૂર નહોતી, કારણ, માણસના હૃદયમાં શું છે તે તે જાણતા હતા. નિકોદેમસ નામે યહૂદીઓનો એક અધિકારી હતો. તે ફરોશીઓના પંથનો હતો. એક રાત્રે તે ઈસુની પાસે આવ્યો અને તેમને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે તો ઈશ્વરે મોકલેલા શિક્ષક છો. તમે જે અદ્‍ભુત કાર્યો કરો છો, તે કાર્યો કોઈ માણસ ઈશ્વર તેની સાથે ન હોય તો કરી શકે જ નહિ.” ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: નવેસરથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરનું રાજ જોઈ શક્તો નથી.” નિકોદેમસે પૂછયું, “માણસ વયોવૃદ્ધ થયા પછી કેવી રીતે ફરીથી જન્મ પામી શકે? તે પોતાની માના ગર્ભમાં પ્રવેશીને ફરીવાર તો જન્મ પામી શકે જ નહિ.” ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: પાણીથી તથા આત્માથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરના રાજમાં પ્રવેશી શક્તો નથી. શારીરિક માબાપ દ્વારા શારીરિક જન્મ થાય છે, પરંતુ આત્મિક જન્મ પવિત્ર આત્મા દ્વારા થાય છે. તમારે બધાએ ઉપરથી જન્મ પામવો જોઈએ એમ હું કહું છું તેથી આશ્ર્વર્ય પામશો નહિ. પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે. તમે તેનો અવાજ સાંભળો છો, પરંતુ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેની તમને ખબર પડતી નથી. આત્માથી જન્મેલી પ્રત્યેક વ્યક્તિના સંબંધમાં પણ એવું જ છે.” નિકોદેમસે પૂછયું, “પણ એ કેવી રીતે બને?” ઈસુએ જવાબ આપ્યો, “તમે તો ઇઝરાયલના શિક્ષક છો અને છતાં તમને સમજ પડતી નથી? હું તમને સાચે જ કહું છું: અમે જે જાણીએ છીએ તે વિષે બોલીએ છીએ, અને જે નજરે જોયું છે તે વિષે સાક્ષી પૂરીએ છીએ. છતાં તમારામાંનો કોઈ અમારી સાક્ષી સ્વીકારવા તૈયાર નથી. આ પૃથ્વી પરની વાતો હું તમને કહું છું તોપણ તમે મારું માનતા નથી, તો જો હું સ્વર્ગની વાતો કહું તો તમે કેવી રીતે માનશો? સ્વર્ગમાં જ જેનો વાસ છે અને જે સ્વર્ગમાંથી ઊતરી આવેલ છે તે માનવપુત્ર સિવાય સ્વર્ગમાં કોઈ ચઢયું નથી.” જેમ મોશેએ વેરાન પ્રદેશમાં થાંભલા પર તાંબાના સાપને ઊંચો કર્યો હતો, તેમ માનવપુત્ર ઊંચો કરાય તે જરૂરી છે. જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તેને તેમના દ્વારા સાર્વકાલિક જીવન પ્રાપ્ત થાય. ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનોએક પુત્ર આપી દીધો; જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે. કારણ, દુનિયાનો ન્યાયાધીશ બનવા માટે નહિ, પરંતુ ઉદ્ધારક બનવા માટે ઈશ્વરે પોતાના પુત્રને દુનિયામાં મોકલ્યો છે. પુત્ર ઉપર જે કોઈ વિશ્વાસ મૂકે છે તે સજાપાત્ર ઠરતો નથી, પરંતુ જે કોઈ વિશ્વાસ મૂક્તો નથી તે સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ, તેણે ઈશ્વરના એકનાએક પુત્ર પર વિશ્વાસ મૂક્યો નથી. ન્યાયચુકાદાનો આધાર આવો છે: પ્રકાશ દુનિયામાં આવ્યો છે, પરંતુ લોકોને પ્રકાશ કરતાં અંધકાર વધારે ગમે છે; કારણ, તેમનાં કાર્યો ભૂંડાં છે. જે કોઈ ભૂંડાં કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે, અને પ્રકાશ પાસે આવવા માગતો નથી, કારણ, તે પોતાનાં કાર્યો ખુલ્લાં પડી જાય તેવું ઇચ્છતો નથી. પરંતુ જે સત્ય પ્રમાણે આચરણ કરે છે તે પ્રકાશની નજીક આવે છે; જેથી તેનાં જે કાર્યો ઈશ્વરને આધીન રહીને કરાયાં છે તે પ્રકાશ દ્વારા જાહેર થાય.” પછી ઈસુ અને તેમના શિષ્યો યહૂદિયા પ્રદેશમાં ગયા. તેમણે થોડો સમય તેમની સાથે ગાળ્યો અને બાપ્તિસ્મા આપ્યાં. યોહાન પણ સાલીમની નજીક એનોનમાં બાપ્તિસ્મા આપતો હતો; કારણ, ત્યાં પુષ્કળ પાણી હતું. લોકો તેની પાસે આવતા અને તે તેમને બાપ્તિસ્મા આપતો. યોહાનને હજુ સુધી જેલમાં પૂરવામાં આવ્યો ન હતો. યોહાનના કેટલાએક શિષ્યોને એક યહૂદી સાથે ધાર્મિક શુદ્ધિકરણ સંબંધી ચર્ચા થઈ. તેથી તેઓ યોહાન પાસે જઈને કહે છે, “ગુરુજી, યર્દન નદીની સામે પાર જે માણસ તમારી સાથે હતો અને જેના વિષે તમે સાક્ષી પૂરતા હતા તે તમને યાદ છે? તે માણસ તો હવે બાપ્તિસ્મા આપે છે, અને બધાં તેની પાસે જાય છે!” યોહાને જવાબ આપ્યો, “ઈશ્વરના આપ્યા સિવાય કોઈ વ્યક્તિ કંઈ પામી શક્તી નથી. ‘હું મસીહ નથી, પરંતુ મને તેમની આગળ મોકલવામાં આવ્યો છે,’ એવું જે મેં કહેલું તેના તમે સાક્ષી છો. જેને માટે કન્યા છે તે વરરાજા ગણાય છે. વરરાજાનો મિત્ર તેની બાજુમાં ઊભો રહીને તેનું સાંભળે છે અને વરરાજાની વાણી સાંભળીને તેને આનંદ થાય છે. મારો આનંદ એ જ રીતે પરિપૂર્ણ થયો છે. તેમનું મહત્ત્વ વધતું જાય અને મારું મહત્ત્વ ઘટતું જાય એ જરૂરી છે.” જે ઉપરથી ઊતરી આવે છે તે સૌથી મહાન છે. જે પૃથ્વી પરનો છે તે પૃથ્વીનો છે, અને પૃથ્વીની વાતો કહે છે. જે સ્વર્ગમાંથી આવે છે તે સર્વોપરી છે. તેણે જે જે જોયું છે અને સાંભળ્યું છે તે સંબંધી તે સાક્ષી પૂરે છે. પરંતુ કોઈ તેની સાક્ષી કબૂલ રાખતું નથી. જે કોઈ તેની સાક્ષી કબૂલ રાખે છે તે, ઈશ્વર સાચા છે તેમ પુરવાર કરે છે. જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે, કારણ, ઈશ્વર તેને પોતાનો આત્મા ભરપૂરીથી આપે છે. ઈશ્વરપિતા પોતાના પુત્ર પર પ્રેમ કરે છે અને તેમણે બધું તેમના અધિકાર નીચે મૂકાયું છે. જે કોઈ પુત્ર પર વિશ્વાસ મૂકે છે, તેને સાર્વકાલિક જીવન છે. જે કોઈ પુત્રને આધીન થતો નથી તેને જીવન મળતું નથી; એથી ઊલટું, ઈશ્વરનો કોપ તેના પર કાયમ રહે છે. ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુ યોહાનના કરતાં વધારે શિષ્યો બનાવે છે અને તેમને બાપ્તિસ્મા આપે છે. હકીક્તમાં ઈસુ જાતે નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા. ઈસુ એ સાંભળીને યહૂદિયા મૂકીને પાછા ગાલીલમાં ચાલ્યા ગયા. તેમને સમરૂનના પ્રદેશમાં થઈને પસાર થવું પડયું. તે સમરૂનના સૂખાર નગરમાં આવ્યા. યાકોબે પોતાના પુત્ર યોસેફને જે ખેતર આપ્યું હતું ત્યાંથી તે નગર નજીક હતું. ત્યાં યાકોબનો કૂવો હતો અને મુસાફરીથી થાકેલા ઈસુ ત્યાં જ બેસી ગયા. ત્યારે બપોરનો સમય હતો. એક સમરૂની સ્ત્રી પાણી ભરવા આવી. ઈસુએ તેને કહ્યું, “મને પાણી આપીશ?” તેમના શિષ્યો ખોરાક ખરીદવા નગરમાં ગયા હતા. તે સ્ત્રીએ જવાબ આપ્યો, “તમે યહૂદી છો અને હું સમરૂની છું, તો તમે મારી પાસે પાણી કેમ માગો છો?” કારણ, યહૂદીઓ સમરૂનીઓ સાથે કંઈ વ્યવહાર રાખતા નથી. ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર કેવું દાન આપી શકે છે અને તારી પાસે પાણી માગનાર વ્યક્તિ કોણ છે તેની તને ખબર હોત તો તેં તેની પાસે માગણી કરી હોત અને તેણે તને જીવનનું પાણી આપ્યું હોત.” તે સ્ત્રીએ કહ્યું, “સાહેબ, તમારી પાસે પાણી કાઢવા માટે તો કશું નથી અને કૂવો તો ઊંડો છે. તમે જીવનનું પાણી કેવી રીતે કાઢી શકો? અમારા પૂર્વજ યાકોબે આ કૂવો અમને આપ્યો. તેણે, તેના પુત્રોએ અને તેનાં ઢોરઢાંકે તેમાંથી જ પાણી પીધું હતું. તમે તેના કરતાં પણ શું મહાન છો?” ઈસુએ કહ્યું, “જે કોઈ આ પાણી પીએ તેને ફરીથી તરસ લાગવાની, પરંતુ જે કોઈ મેં આપેલું પાણી પીએ, તેને કદી તરસ લાગશે નહિ. જે પાણી હું આપીશ તે તેના અંતરમાં ફૂટી નીકળતું ઝરણું બની રહેશે અને તેને સાર્વકાલિક જીવન આપશે.” સ્ત્રીએ કહ્યું, “સાહેબ, એ જ પાણી મને આપો, જેથી મને ફરી તરસ લાગે નહિ, અને અહીં આવીને મારે પાણી ખેંચવું પડે નહિ.” ઈસુએ કહ્યું, “જા, તારા પતિને બોલાવી લાવ.” સ્ત્રીએ કહ્યું, “મારે પતિ નથી.” ઈસુએ કહ્યું, “વાત તારી સાચી; તારે પતિ નથી. તું પાંચ પુરુષો સાથે રહી છે અને અત્યારે જેની સાથે રહે છે તે તારો પતિ નથી. તારું કહેવું તદ્ન ખરું છે.” તે સ્ત્રીએ કહ્યું, “સાહેબ, તમે તો ઈશ્વરના સંદેશવાહક લાગો છો. અમારા પૂર્વજો આ પર્વત પર ઈશ્વરનું ભજન કરતા, પરંતુ તમે યહૂદીઓ કહો છો કે ઈશ્વરનું ભજન માત્ર યરુશાલેમમાં જ કરવું જોઈએ.” ઈસુએ તેને કહ્યું, “બહેન, મારી વાત માન, એવો સમય આવી રહ્યો છે, જ્યારે માણસો ઈશ્વરપિતાનું ભજન આ પર્વત પર કે યરુશાલેમમાં કરશે નહિ. તમે સમરૂનીઓ કોનું ભજન કરો છો તે તમે જાણતા નથી, પણ અમે યહૂદીઓ કોનું ભજન કરીએ છીએ તે અમે જાણીએ છીએ; કારણ, ઉદ્ધાર યહૂદીઓમાંથી આવવાનો છે. પરંતુ એવો સમય આવી રહ્યો છે, અરે, હાલ આવી ચૂક્યો છે, કે જ્યારે સાચા ભજનિકો પવિત્ર આત્માથી પ્રેરાઈને ઈશ્વરપિતાની સચ્ચાઈપૂર્વક ભક્તિ કરશે. ઈશ્વરપિતા એવા જ ભાવિકોની ઝંખના રાખે છે. ઈશ્વર આત્માસ્વરૂપ છે અને તેમના ભજનિકોએ આત્માથી પ્રેરાઈને સચ્ચાઈપૂર્વક ભક્તિ કરવી જોઈએ.” તે સ્ત્રીએ કહ્યું, “હું જાણું છું કે મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે) આવશે; અને જ્યારે તે આવશે ત્યારે અમને બધું જ કહી બતાવશે.” ઈસુએ જવાબ આપ્યો, “તારી સાથે વાત કરનાર હું તે જ છું.” તે જ વખતે ઈસુના શિષ્યો પાછા આવ્યા. ઈસુને સ્ત્રી સાથે વાત કરતા જોઈને તેમને ખૂબ નવાઈ લાગી, પણ “તમારે શું જોઈએ છે?” અને “તમે તેની સાથે શા માટે વાત કરો છો?” એવું તેમને કોઈએ પૂછયું નહિ. પછી તે સ્ત્રી પોતાની ગાગર ત્યાં જ મૂકીને નગરમાં પાછી ગઈ અને તેણે લોકોને કહ્યું, “આવો, અને અત્યાર સુધી મેં જે જે કર્યું તે બધું જ જેણે કહી દેખાડયું તે માણસને જુઓ. શું તે મસીહ હોઈ શકે?” તેથી તેઓ નગર બહાર ઈસુની પાસે ગયા. તે દરમિયાન શિષ્યોએ ઈસુને વિનંતી કરી, “ગુરુજી, થોડું જમી લો!” પરંતુ તેમણે જવાબ આપ્યો, “મારી પાસે જે ખોરાક છે તેની તમને જરા પણ ખબર નથી.” તેથી શિષ્યો અંદરોઅંદર પૂછવા લાગ્યા, “શું કોઈ તેમને માટે ખોરાક લાવ્યું હશે?” ઈસુએ કહ્યું, “જેમણે મને મોકલ્યો છે તેની ઇચ્છા પૂરી કરવી અને જે ક્મ તેમણે મને સોંપ્યું છે તે પૂરું કરવું એ જ મારો ખોરાક છે. શું તમે નથી કહેતા કે, ‘ચાર મહિના પછી કાપણીની મોસમ આવશે?’ હું તમને કહું છું: ખેતરો તરફ તમારી દૃષ્ટિ ફેરવો, તેઓ કાપણીને માટે પાકી ચૂક્યાં છે. જે માણસ ફસલ કાપે છે તેને બદલો મળે છે અને સાર્વકાલિક જીવન માટે તે સંગ્રહ કરે છે. તેથી જે માણસ વાવે છે અને જે માણસ કાપે છે તેઓ બંને સાથે આનંદ પામશે. “‘વાવે કોઈ અને લણે કોઈ’ એ કહેવત સાચી પડે છે. જે ખેતરમાં તમે મહેનત કરી નથી, ત્યાં કાપણી કરવા મેં તમને મોકલ્યા છે. બીજાઓએ ત્યાં મહેનત કરી છે અને તમે તેનો લાભ ઉઠાવો છો.” “જે કંઈ મેં કર્યું તે બધું જ તેમણે કહી દેખાડયું,” એવી સ્ત્રીની સાક્ષીને લીધે તે નગરના ઘણા સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. તેથી જ્યારે સમરૂનીઓ તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે તેમને પોતાની સાથે રહેવા વિનંતી કરી. તેથી ઈસુ ત્યાં બે દિવસ રહ્યા. બીજા ઘણાએ તેમની વાણી સાંભળીને વિશ્વાસ કર્યો. અને તેમણે તે સ્ત્રીને કહ્યું, “અમે માત્ર તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી, પરંતુ હવે અમે પોતે તેમને સાંભળ્યા છે અને અમને ખાતરી થઈ છે કે તે જ દુનિયાના ઉદ્ધારક છે.” બે દિવસ રહ્યા પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલ ગયા. ઈસુએ પોતે જ કહ્યું હતું, “ઈશ્વરના સંદેશવાહકને પોતાના વતનમાં માન મળતું નથી.” તે ગાલીલ આવ્યા ત્યારે ત્યાંના લોકોએ તેમનો સત્કાર કર્યો. કારણ, લોકો પાસ્ખાપર્વ સમયે યરુશાલેમ ગયા હતા અને પર્વ દરમિયાન ઈસુએ કરેલાં બધાં કામો તેમણે જોયાં હતાં. જ્યાં ઈસુએ પાણીને દ્રાક્ષાસવમાં ફેરવી નાખ્યું હતું તે ગાલીલના કાના ગામમાં તે ફરીવાર ગયા. ત્યાં એક સરકારી અધિકારી હતો જેનો પુત્ર કાપરનાહુમમાં માંદો પડયો હતો. ઈસુ યહૂદિયાથી ગાલીલ આવ્યા છે તેવું સાંભળીને તે તેમની પાસે ગયો અને તેમને વિનંતી કરી, “મારો પુત્ર મરવાની અણી પર છે; તમે આવીને તેને સાજો કરો.” ઈસુએ તેને કહ્યું, “અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો જોયા સિવાય તમે વિશ્વાસ કરવાના નથી.” અધિકારીએ જવાબ આપ્યો, “પ્રભુ, મારો પુત્ર મરણ પામે તે પહેલાં મારી સાથે આવો.” ઈસુએ તેને કહ્યું, “જા, તારો પુત્ર જીવતો રહેશે.” તે માણસ ઈસુના શબ્દો પર વિશ્વાસ મૂકીને ગયો. ઘેર જતાં રસ્તામાં તેના નોકરો તેને સામા મળ્યા અને સમાચાર આપ્યા કે, “તમારો પુત્ર બચી ગયો છે!” તેણે તેમને પૂછયું, “ક્યારથી તેની હાલત સુધરી?” તેમણે કહ્યું, “ગઈકાલે બપોરે એક વાગે તેનો તાવ ઊતરી ગયો.” તેના પિતાને યાદ આવ્યું કે તે જ સમયે ઈસુએ તેને કહ્યું હતું, “તારો પુત્ર જીવતો રહેશે.” તેથી તેણે અને તેના આખા કુટુંબે વિશ્વાસ કર્યો. યહૂદિયાથી ગાલીલ આવ્યા પછી ઈસુએ આ બીજું અદ્‍ભુત કાર્ય કર્યું. તે પછી યહૂદીઓનું એક ધાર્મિક પર્વ હતું એટલે ઈસુ યરુશાલેમ ગયા. યરુશાલેમમાં ‘ઘેટા દરવાજા’ આગળ પાંચ વરંડાવાળું એક સ્નાનાગાર છે. હિબ્રૂ ભાષામાં એને બેથઝાથા કહે છે. માંદા માણસોનો મોટો સમુદાય એ વરંડાઓમાં પડયો રહેતો હતો. તેઓમાં આંધળાં, લંગડાં, લકવાવાળાં વગેરે હતાં. [તેઓ પાણીમાં હલચલ થાય તેની રાહ જોતાં; કારણ, કોઈ કોઈ વાર પ્રભુનો દૂત આવીને સ્નાનાગારમાં ઊતરતો અને પાણીને હલાવતો. પાણી હલાવ્યા પછી જે માંદો માણસ પાણીમાં પ્રથમ ઊતરતો તેની ગમે તેવી બીમારી દૂર થતી]. ત્યાં એક માણસ આડત્રીસ વર્ષથી માંદો હતો. ઈસુએ તેને ત્યાં પડેલો જોયો અને તેમને ખબર પડી કે આ માણસ લાંબા સમયથી બીમાર છે. તેથી તેમણે તેને પૂછયું, “તારે સાજા થવું છે?” માંદા માણસે જવાબ આપ્યો, “સાહેબ, જ્યારે પાણી હલાવવામાં આવે છે, ત્યારે મને સ્નાનાગારમાં ઉતારવા કોઈ હોતું નથી, અને જ્યારે હું જાતે જ અંદર ઊતરવા કોશિશ કરું છું, ત્યારે બીજો જ કોઈ મારી પહેલાં ઊતરી પડે છે.” ઈસુએ તેને કહ્યું, “ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.” તે માણસ તરત જ સાજો થયો, અને પોતાનું બિછાનું ઉપાડીને ચાલવા લાગ્યો. વિશ્રામવારે એ બન્યું. તેથી યહૂદી અધિકારીઓએ સાજા થયેલા માણસને કહ્યું, “આજે વિશ્રામવારે તારે તારું બિછાનું ઊંચકવું ગેરક્યદેસર છે.” તેણે જવાબ આપ્યો, “મને જેણે સાજો કર્યો તેણે જ કહ્યું કે, ‘તારું બિછાનું ઊંચકીને ચાલ.” તેમણે તેને પૂછયું, “કોણે તને બિછાનું ઊંચકીને ચાલવાનું કહ્યું?” પરંતુ સાજા કરાયેલા માણસને ખબર ન હતી કે તે કોણ છે; કારણ, એ જગ્યાએ ભારે ભીડ જામી હતી અને ઈસુ ચુપકીદીથી ખસી ગયા હતા. પછી ઈસુએ તેને મંદિરમાં મળીને કહ્યું, “જો, હવે તું સાજો થયો છે. હવેથી પાપ કરતો નહિ, નહિ તો તારી હાલત વધારે ખરાબ થશે.” પછી તે માણસે જઈને યહૂદી અધિકારીઓને કહ્યું કે મને સાજો કરનાર તો ઈસુ છે. ઈસુએ એ કામો વિશ્રામવારે કર્યાં હતાં માટે યહૂદીઓ તેમને સતાવવા લાગ્યા. ઈસુએ તેમને જવાબ આપ્યો, “મારા પિતા હંમેશાં કાર્યરત રહે છે અને હું પણ કાર્ય કરું છું.” આથી યહૂદી અધિકારીઓ વધારે ગુસ્સે ભરાયા અને તેમને મારી નાખવા તત્પર બન્યા. કારણ, ઈસુ વિશ્રામવારનો ભંગ કરતા હતા એટલું જ નહિ, પરંતુ ઈશ્વર તેમના પિતા છે એમ કહીને પોતાને ઈશ્વર સમાન ગણાવતા હતા. તેથી ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: પુત્ર પિતાને જે કરતા જુએ છે તે સિવાય પુત્ર પોતે કશું જ કરી શક્તો નથી. જે પિતા કરે છે, તે પુત્ર પણ કરે છે. કારણ, પિતા પુત્રને ચાહે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે. તે તેને એના કરતાં પણ મોટાં કાર્યો બતાવશે, તેથી તમે બધા અચંબામાં પડશો. પિતા જેમ મૃત્યુ પામેલાંને ઉઠાડે છે અને જીવન આપે છે, તે જ પ્રમાણે પુત્ર પણ પોતાની મરજી પ્રમાણે તેમને જીવન બક્ષે છે. વળી, પિતા પોતે કોઈનો ન્યાય કરતા નથી. તેમણે ન્યાય કરવાનો સર્વ અધિકાર પોતાના પુત્રને સોંપ્યો છે; જેથી જેમ પિતાનું તેમ પુત્રનું પણ બધા સન્માન કરે. જે કોઈ પુત્રનું સન્માન કરતો નથી તે તેને મોકલનાર પિતાનું પણ સન્માન કરતો નથી. “હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારો સંદેશ સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે. તેનો ન્યાય તોળાશે નહિ, પરંતુ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશી ચૂક્યો છે. હું સાચે જ કહું છું: એવો સમય આવશે, અરે, હવે આવી લાગ્યો છે કે, જ્યારે મૃત્યુ પામેલાં પુત્રનો અવાજ સાંભળશે અને જેઓ સાંભળશે તેઓ જીવન પામશે. કારણ, જેમ પિતા પોતે જીવનનું ઉદ્ભવસ્થાન છે, તે જ રીતે તેમણે પુત્રને જીવનનું ઉદ્ભવસ્થાન બનાવ્યો છે. “વળી, તે માનવપુત્ર હોવાથી તેમણે તેને ન્યાય કરવાનો અધિકાર આપ્યો છે. તેથી આશ્ર્વર્ય ન પામશો, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે કબરમાંનાં બધાં મૃત્યુ પામેલાં તેનો અવાજ સાંભળશે. અને તેઓ કબરની બહાર નીકળી આવશે. જેમણે સારાં કાર્યો કર્યાં હશે તેમને સાર્વકાલિક જીવન માટે ઉઠાડવામાં આવશે, અને જેમણે ભૂંડાં કાર્યો કર્યા હશે તેમને સજા માટે ઉઠાડવામાં આવશે. પ્રભુ ઈસુના સાક્ષીઓ “હું મારી જાતે કશું જ કરી શક્તો નથી. પિતા મને કહે તે પ્રમાણે જ હું ન્યાય કરું છું, અને તેથી મારો ચુક્દો અદલ હોય છે. કારણ, મને જે ગમે તે કરવા હું પ્રયત્ન કરતો નથી, પરંતુ મને મોકલનારને જે ગમે તે જ હું કરું છું. “જો હું પોતે જ મારે વિષે સાક્ષી આપું, તો હું જે કહું તેનો પુરાવા તરીકે સ્વીકાર થાય નહિ. પરંતુ મારા માટે બીજી જ વ્યક્તિ સાક્ષી આપે છે, અને હું જાણું છું કે મારા વિષેની તેની સાક્ષી સાચી છે. તમે યોહાન પાસે માણસો મોકલીને પુછાવ્યું હતું, અને તેણે સત્ય વિષે સાક્ષી આપી છે. મારે કોઈ માનવી સાક્ષીની જરૂર છે એમ નહિ, પણ તમારો ઉદ્ધાર થાય માટે હું આ કહું છું. યોહાન તો સળગતા અને પ્રકાશતા દીવા સમાન હતો. અને તેનો પ્રકાશ તમને થોડો સમય ગમ્યો પણ ખરો, પરંતુ મારા પક્ષમાં એક સાક્ષી છે, જેની સાક્ષી યોહાનની સાક્ષી કરતાં વધારે સબળ છે. મને મારા પિતાએ સોંપેલાં જે કાર્યો હું કરું છું તે કાર્યો મારે પક્ષે સાક્ષી પૂરે છે કે પિતાએ મને મોકલ્યો છે. વળી, મને મોકલનાર પિતા પણ મારે પક્ષે સાક્ષી પૂરે છે. તમે નથી તેમની વાણી સાંભળી કે નથી તેમને જોયા, કે નથી તેમનો સંદેશો તમારા હૃદયમાં ગ્રહણ કર્યો. કારણ, તેમણે જેને મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કર્યો નથી. તમે શાસ્ત્રનું અયયન કરો છો; કારણ, તમે એમ માનો છો કે તેમાંથી જ સાર્વકાલિક જીવન મળે છે, પરંતુ એ શાસ્ત્રો તો મારે વિષે સાક્ષી પૂરે છે. છતાં જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી. “હું માણસોની પ્રશંસા શોધતો નથી. પરંતુ હું તમને બરાબર ઓળખું છું અને જાણું છું કે તમારા હૃદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ નથી. હું મારા પિતાને નામે આવ્યો છું, છતાં તમે મારો સ્વીકાર કરતા નથી; પરંતુ જો કોઈ પોતાને નામે આવે તો તમે તેનો સ્વીકાર કરશો. તમે એકબીજાની પ્રશંસા ચાહો છો, પરંતુ અનન્ય એવા ઈશ્વર તરફથી મળતી પ્રશંસા મેળવવા પ્રયત્ન કરતા નથી. તો પછી તમે કઈ રીતે વિશ્વાસ કરવાના? એમ ધારશો નહિ કે પિતા આગળ હું તમારા પર આરોપ મૂકીશ; આરોપ તો મૂકશે મોશે કે જેના પર તમે આધાર રાખ્યો છે. જો તમે ખરેખર મોશેનું માનતા હોત, તો તમે મારું પણ માનત; કારણ, તેણે મારે વિષે લખેલું છે. પણ જો તમે તેનું લખાણ માનતા નથી, તો મારી વાતો પર કઈ રીતે વિશ્વાસ કરવાના?” એ પછી ઈસુ ગાલીલ એટલે કે, તીબેરિયસ સરોવરને સામે કિનારે ગયા. મોટો જનસમુદાય તેમની પાછળ ગયો. કારણ, માંદા માણસોને સાજા કરવાનાં અદ્‍ભુત કાર્યો તેમણે જોયાં હતાં. ઈસુ એક ટેકરી પર ચઢી ગયા અને તેમના શિષ્યો સાથે બેઠા. યહૂદીઓનું પાસ્ખાપર્વ નજીક હતું. ઈસુએ ચારે તરફ નજર કરીને જોયું કે મોટો જનસમુદાય તેમની તરફ આવતો હતો. તેથી તેમણે ફિલિપને કહ્યું, “આ લોકોને જમાડવા માટે ખોરાક ક્યાંથી ખરીદી શકાય?” ફિલિપની પરીક્ષા કરવા જ તેમણે એ કહ્યું હતું. પરંતુ ખરેખર પોતે શું કરવાના છે તે ઈસુ જાણતા હતા. ફિલિપે જવાબ આપ્યો, “બસો દીનારનો ખોરાક લાવીએ તો ય બધાંને બસ નહિ થાય.” તેમના બીજા એક શિષ્ય, સિમોન પિતરના ભાઈ, આંદ્રિયાએ કહ્યું, “અહીં એક છોકરો છે. તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે. પણ તે આટલા બધાંને કેમ પહોંચે?” ઈસુએ તેમને કહ્યું, “લોકોને બેસાડી દો.” ત્યાં ઘણું ઘાસ હતું. એટલે બધા લોકો બેસી ગયા. આશરે પાંચ હજાર તો પુરુષો જ હતા. ઈસુએ રોટલી લીધી, ઈશ્વરનો આભાર માન્યો, અને લોકોને પીરસી. માછલી માટે પણ તેમણે એમ જ કર્યું. બધાંને જોઈએ તેટલું મળ્યું. બધાં ધરાઈને જમી રહ્યા પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “જે ટુકડા પડી રહ્યા છે તે એકઠા કરો, જેથી જરા પણ બગાડ થાય નહિ.” તેથી તેમણે તે ઉપાડી લીધા અને લોકોએ ખાધેલી જવની પાંચ રોટલીમાંથી વધેલા ટુકડાઓની બાર ટોપલીઓ ભરી. આ અદ્‍ભુત કાર્ય જોઈને લોકોએ કહ્યું, “ખરેખર, આ તો દુનિયામાં આવનાર ઈશ્વરના સંદેશવાહક છે.” ઈસુ જાણી ગયા કે તેઓ આવીને મને બળજબરીથી રાજા બનાવશે, તેથી તે પહાડોમાં ફરીથી એકલા ચાલ્યા ગયા. સાંજ પડવા આવી ત્યારે તેમના શિષ્યો સરોવર તરફ ગયા. તેઓ એક હોડીમાં બેઠા અને સરોવરમાં થઈને કાપરનાહૂમ પાછા જતા હતા. રાત પડી હતી અને ઈસુ હજુ પણ તેમની પાસે આવ્યા ન હતા. વળી, સખત પવન ફૂંકાવા લાગ્યો અને મોજાં ઊછળવા લાગ્યાં. તેઓ હલેસાં મારતા મારતા પાંચથી છ કિલોમીટર દૂર ગયા ત્યારે તેમણે ઈસુને પાણી પર ચાલતા અને હોડીની નજીક આવતા જોયા. તેથી તેઓ ગભરાઈ ઊઠયા. ઈસુએ કહ્યું, “બીશો નહિ, એ તો હું છું.” એટલે તેઓ તેમને હોડીમાં લેવા તૈયાર થયા; પછી તેઓ જ્યાં જવા માગતા હતા ત્યાં હોડી તરત જ પહોંચી ગઈ. સરોવરને સામે કિનારે રહી ગયેલા લોકોને બીજે દિવસે ખબર પડી કે ત્યાં ફક્ત એક જ હોડી હતી, અને ઈસુ તેમના શિષ્યો સાથે હોડીમાં ગયા ન હતા, પરંતુ શિષ્યો તેમને લીધા વગર જ ઊપડી ગયા હતા. કિનારા પરની જે જગ્યાએ પ્રભુએ ઈશ્વરની સ્તુતિ કર્યા પછી લોકોએ રોટલી ખાધી હતી, ત્યાં તીબેરિયસથી બીજી હોડીઓ આવી પહોંચી. લોકોએ ઈસુને કે તેમના શિષ્યોને જોયા નહિ, ત્યારે તેઓ પોતે જ એ હોડીઓમાં બેસીને ઈસુને શોધવા કાપરનાહૂમ આવ્યા. જ્યારે તેમણે ઈસુને સામે કિનારે જોયા ત્યારે તેમણે પૂછયું, “પ્રભુ, તમે અહીં ક્યારે આવ્યા?” ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: તમે મારાં અદ્‍ભુત કાર્યો જોઈને નહિ, પણ તમે રોટલી ખાઈને ધરાયા તેથી મને શોધો છો. નાશવંત નહિ, પણ શાશ્વત ખોરાક મેળવવા માટે મહેનત કરો. એ ખોરાક તમને માનવપુત્ર આપશે, કારણ, ઈશ્વરપિતાએ તેના પર પોતાની મહોર મારી છે.” તેથી તેમણે પૂછયું, “ઈશ્વરનાં કાર્ય કરવા અમારે શું કરવું?” ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર તો તમારી પાસે આટલું જ માગે છે: જેને તેમણે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરો.” તેમણે જવાબ આપ્યો, “તમારા પર અમે વિશ્વાસ મૂકીએ એ માટે નિશાની તરીકે તમે કયું અદ્‍ભુત કાર્ય કરી બતાવશો? અમારા પૂર્વજોએ વેરાનપ્રદેશમાં માન્‍ના ખાધું. શાસ્ત્રમાં લખેલું છે તેમ, ‘તેમણે તેમને ખાવાને માટે આકાશમાંથી રોટલી આપી.” ઈસુએ કહ્યું, “હું તમને સાચે જ કહું છું: મોશેએ તમને આકાશમાંથી રોટલી આપી નથી, પરંતુ મારા પિતા તમને આકાશમાંથી ખરેખરી રોટલી આપે છે. ઈશ્વર જે રોટલી આપે છે તે તો આકાશમાંથી ઊતરી આવે છે અને દુનિયાને જીવન બક્ષે છે.” તેમણે માગણી કરી, “પ્રભુ, અમને હવે એ જ રોટલી સદા આપતા રહો.” ઈસુએ તેમને કહ્યું, “જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહિ થાય; જે મારામાં વિશ્વાસ મૂકશે તે કદી તરસ્યો નહિ થાય. પણ મેં કહ્યું તેમ, તમે મને જોયો છે, અને છતાં તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાએ મને જેટલાં સોંપ્યાં છે તે બધાં મારી પાસે આવશે. જે કોઈ મારી પાસે આવે છે, તેને હું કદી પણ પાછો કાઢી મૂકીશ નહિ. કારણ, મારી ઇચ્છા પ્રમાણે કરવાને નહિ, પરંતુ મને મોકલનારની ઇચ્છા પૂરી કરવાને હું આકાશમાંથી ઊતર્યો છું. મને મોકલનાર મારી પાસે એવી અપેક્ષા રાખે છે કે, તેમણે મને જેટલાં સોંપ્યાં છે તેમાંથી હું એકપણ ન ગુમાવું, પરંતુ હું તેમને છેલ્લે દિવસે સજીવન કરું. જે કોઈ પુત્રને જોઈને તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક જીવન પામે, અને હું તેમને અંતિમ દિવસે સજીવન કરું એ જ પિતા ઇચ્છે છે.” “આકાશમાંથી ઊતરી આવેલી રોટલી હું છું,” એમ ઈસુએ કહ્યું એટલે યહૂદીઓએ તેમની વિરુદ્ધ કચકચ કરી. અને તેમણે કહ્યું, “અરે, આ યોસેફનો દીકરો ઈસુ નથી? એના બાપને અને એની માને અમે ઓળખીએ છીએ. તો પછી એ કેવી રીતે કહે છે કે, ‘હું આકાશમાંથી ઊતરી આવ્યો છું?” ઈસુએ તેમને જવાબ આપ્યો, “અંદરોઅંદર કચકચ ન કરો. મને મોકલનાર પિતા કોઈને મારી તરફ ખેંચે નહિ ત્યાં સુધી કોઈ મારી પાસે આવી શકતું નથી; અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ. સંદેશવાહકોના પુસ્તકોમાં લખેલું છે, ‘તેઓ બધા ઈશ્વર તરફથી શિક્ષણ મેળવશે.’ જે કોઈ પિતાનું સાંભળે છે અને તેમની પાસેથી શીખે છે તે મારી પાસે આવે છે. આનો અર્થ એ નથી કે કોઈએ ઈશ્વરને જોયા છે; જે ઈશ્વર પાસેથી આવ્યો છે ફક્ત તેણે જ ઈશ્વરને જોયા છે. હું તમને સાચે જ કહું છું કે જે વિશ્વાસ રાખે છે તેને સાર્વકાલિક જીવન છે. જીવનની રોટલી હું છું. તમારા પૂર્વજોએ વેરાન પ્રદેશમાં માન્‍ના ખાધું છતાં તેઓ મરી ગયા. પરંતુ આકાશમાંથી ઊતરી આવેલી રોટલી એવી છે કે જે કોઈ તે ખાય તે મરણ પામે નહિ. આકાશમાંથી આવેલી જીવનની રોટલી હું છું. જે કોઈ આ રોટલી ખાય છે તે સદા જીવશે. જે રોટલી હું આપું છું તે તો મારું માંસ છે, જે હું દુનિયાના જીવનને માટે આપું છું.” આ સાંભળીને યહૂદીઓમાં અંદરોઅંદર વિવાદ જાગ્યો કે, “આ માણસ પોતાનું માંસ આપણને ખાવા માટે કેવી રીતે આપી શકે?” ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: જો તમે માનવપુત્રનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન હોઈ શકે જ નહિ. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને સાર્વકાલિક જીવન છે, અને તેને હું છેલ્લે દિવસે સજીવન કરીશ. કારણ, મારું માંસ એ જ સાચો ખોરાક છે અને મારું લોહી એ જ સાચું પીણું છે. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં જીવે છે અને હું તેનામાં જીવું છું. જીવતા પિતાએ મને મોકલ્યો છે અને તેમને લીધે જ હું જીવું છું. તે જ પ્રમાણે જે મને ખાશે તે મારે લીધે જીવશે. આકાશમાંથી ઊતરેલી રોટલી, તમારા પૂર્વજો ખાઈને મરી ગયા તેવા માન્‍ના જેવી નથી. જે કોઈ આ રોટલી ખાશે તે સદાકાળ જીવશે.” કાપરનાહૂમના ભજનસ્થાનમાં શીખવતાં ઈસુએ આ શબ્દો કહ્યા હતા. તેમના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું, “આ શિક્ષણ સ્વીકારવાનું ખૂબ અઘરું છે. આવું તે કોણ સાંભળી શકે?” કોઈના કહ્યા વગર ઈસુને ખબર પડી ગઈ કે તેમના શિષ્યો એ સંબંધી બડબડાટ કરે છે; તેથી ઈસુએ તેમને કહ્યું, “એ વાતથી શું તમે પણ મને તજી દેવા માગો છો? ધારો કે, તમે માનવપુત્રને તે પહેલાં જ્યાં હતો તે સ્થાને જતો જુઓ તો? જીવન આપનાર તો આત્મા છે, માનવીશક્તિ કશા ક્મની નથી. જે શબ્દો મેં તમને કહ્યા તે આત્મા અને જીવન છે. પણ તમારામાંના ઘણા વિશ્વાસ કરતા નથી.” કોણ વિશ્વાસ કરવાના નથી અને કોણ તેમની ધરપકડ કરાવશે, તે ઈસુ પહેલેથી જ જાણતા હતા. તેમણે ઊમેર્યું, “આ જ કારણને લીધે મેં તમને કહેલું કે પિતાના પ્રેર્યા સિવાય કોઈ મારી પાસે આવી શકતું નથી.” તે સમય પછી તેમના અનુયાયીઓમાંના ઘણા પાછા પડી ગયા અને તેમની સાથે જવાનું બંધ કર્યું. તેથી ઈસુએ તેમના બાર શિષ્યોને પૂછયું, “શું તમે પણ મને તજી દેવા ચાહો છો?” સિમોન પિતરે જવાબ આપ્યો, “પ્રભુ, અમે કોની પાસે જઈએ? સાર્વકાલિક જીવન આપે તેવા શબ્દો તો તમારી પાસે જ છે. હવે અમે વિશ્વાસ કરીએ છીએ અને અમને ખાતરી થઈ છે કે તમે જ ઈશ્વર તરફથી આવેલા પવિત્ર પુરુષ છો.” ઈસુએ તેમને જવાબ આપ્યો, “શું મેં બારને પસંદ કર્યા નથી? છતાં તમારામાંનો એક શેતાન છે.” તે તો સિમોન ઈશ્કારિયોતના પુત્ર યહૂદા સંબંધી કહેતા હતા. કારણ, યહૂદા બારમાંનો એક હોવા છતાં તેમની ધરપકડ કરાવવાનો હતો. એ પછી ઈસુએ ગાલીલમાં મુસાફરી કરી. તેઓ યહૂદિયામાં ફરવા માગતા ન હતા; કારણ, યહૂદી અધિકારીઓ તેમને મારી નાખવાનો લાગ શોધતા હતા. યહૂદીઓનું માંડવાપર્વ નજીક હતું. તેથી ઈસુના ભાઈઓએ તેમને કહ્યું, “આ સ્થળ મૂકીને યહૂદિયાના પ્રદેશમાં જા; જેથી જે અદ્‍ભુત કાર્યો તું કરે છે તે તેઓ જોઈ શકે. જે માણસ પ્રસિદ્ધિ ચાહે છે તે પોતાનાં કાર્યો છુપાવતો નથી. તું આ બધું કરે જ છે, તો આખી દુનિયા આગળ જાહેર થા!” તેમના ભાઈઓને પણ તેમનામાં વિશ્વાસ ન હતો. ઈસુએ તેમને કહ્યું, “મારો સમય હજી આવ્યો નથી; તમારે માટે તો ગમે તે સમય ઠીક છે. દુનિયા તમારો તિરસ્કાર કરી શક્તી નથી; પરંતુ તે મારો તિરસ્કાર કરે છે; કારણ, તેનાં કાર્યો ભૂંડાં છે એમ હું કહ્યા કરું છું. તમે પર્વમાં જાઓ; હું હમણાં પર્વમાં આવતો નથી; કારણ, મારો સમય હજી આવ્યો નથી.” આમ કહીને તે ગાલીલમાં જ રહ્યા. ઈસુના ભાઈઓ પર્વમાં ગયા, તે પછી તે જાહેરમાં તો નહિ, પણ છૂપી રીતે પર્વમાં ગયા. યહૂદી અધિકારીઓ તેમને પર્વમાં શોધતા હતા, અને તે ક્યાં છે તે વિશે પૂછપરછ કરતા હતા. ટોળામાં તેમના સંબંધી ઘણી ગુસપુસ ચાલતી હતી. કેટલાએકે કહ્યું, “તે સારો માણસ છે.” જ્યારે બીજાઓએ કહ્યું, “ના રે ના, એ તો લોકોને ગેરમાર્ગે દોરે છે.” પરંતુ કોઈ તેને વિષે જાહેરમાં બોલતું નહિ, કારણ, તેઓ સૌ યહૂદી અધિકારીઓથી બીતા હતા. પર્વ ર્આું થવા આવ્યું હતું તેવામાં ઈસુ મંદિરમાં જઈને શીખવવા લાગ્યા. યહૂદી અધિકારીઓ ખૂબ આશ્ર્વર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા, “આ માણસ કદી ભણ્યો નથી છતાં એનામાં આવું જ્ઞાન આવ્યું ક્યાંથી?” ઈસુએ જવાબ આપ્યો, “હું જે શીખવું છું તે મારું શિક્ષણ નથી, પરંતુ મને મોકલનારનું છે. જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા માગે છે તેને, હું જે શીખવું તે ઈશ્વર તરફથી છે કે મારું પોતાનું છે તેની ખબર પડી જશે. જે વ્યક્તિ પોતાના અધિકારથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ પોતાના મોકલનારને મહિમા આપનાર વ્યક્તિ પ્રામાણિક છે, અને તેનામાં કંઈ કપટ નથી. શું મોશેએ તમને નિયમશાસ્ત્ર આપ્યું ન હતું? પરંતુ તમારામાંનો કોઈ નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે શા માટે મને મારી નાખવાની કોશિશ કરો છો?” લોકોએ કહ્યું, “તારામાં અશુદ્ધ આત્મા છે! કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?” ઈસુએ જવાબ આપ્યો, “મેં એક જ અદ્‍ભુત કાર્ય કર્યું અને તમે બધા અચંબામાં પડી ગયા. મોશેએ તમારા પુત્રોની સુન્‍નત કરવાની આજ્ઞા તમને આપી તેથી તમે વિશ્રામવારે સુન્‍નત કરો છો. જો કે એ વિધિ મોશેએ નહિ, પરંતુ તમારા પૂર્વજોએ શરૂ કર્યો હતો. જો મોશેનો નિયમ તૂટે નહિ તે માટે કોઈ છોકરાની સુન્‍નત વિશ્રામવારે કરી શકાય, તો પછી મેં એક માણસને વિશ્રામવારે સાજો કર્યો તેથી તમે શા માટે ગુસ્સે ભરાયા છો? બાહ્ય દેખાવ ઉપરથી નહિ, પણ સાચા ધોરણે ન્યાય કરો.” યરુશાલેમમાંના કેટલાએક લોકોએ કહ્યું, “જેને તેઓ મારી નાખવા માગે છે તે આ જ માણસ નથી? જુઓ તે તો છડેચોક બોલી રહ્યો છે અને છતાં કોઈ તેની વિરુદ્ધ બોલતું નથી! શું યહૂદી આગેવાનો તેને મસીહ તરીકે માને છે? મસીહ આવશે ત્યારે કોઈને ખબર પણ નહિ હોય કે તે ક્યાંનો છે; પરંતુ આપણે બધા જાણીએ છીએ કે આ માણસ ક્યાંથી આવ્યો છે.” ત્યારે મંદિરમાં બોધ કરતાં ઈસુએ મોટો ઘાંટો પાડીને કહ્યું, “હું કોણ છું અને ક્યાંથી આવું છું તે શું તમે ખરેખર જાણો છો? પરંતુ હું મારી પોતાની જાતે આવ્યો નથી. મને મોકલનાર તો સાચા છે. તમે તેમને ઓળખતા નથી. હું તેમને ઓળખું છું, કારણ, હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.” પછી તેમણે તેમની ધરપકડ કરવાનો યત્ન કર્યો. પરંતુ કોઈએ તેમને પકડયા નહિ; કારણ, હજી તેમનો સમય આવ્યો ન હતો. પરંતુ ટોળામાંના ઘણાંએ તેમના પર વિશ્વાસ મૂક્યો અને કહ્યું, “એમણે જે કાર્યો કર્યાં છે તેના કરતાં વધારે અદ્‍ભુત કાર્યો મસીહ આવશે ત્યારે કરી બતાવશે ખરા?” ફરોશીઓએ લોકોના ટોળાને ઈસુ સંબંધી એવી ગુસપુસ કરતા સાંભળ્યું. તેથી તેમણે અને મુખ્ય યજ્ઞકારોએ ઈસુની ધરપકડ કરવા માટે મંદિરના સંરક્ષકોને મોકલ્યા. ઈસુએ કહ્યું, “હું તમારી સાથે થોડીવાર છું, અને ત્યાર પછી મને મોકલનાર પાસે પાછો જઉં છું. “તમે મને શોધશો પરંતુ હું તમને જડીશ નહિ, કારણ, જ્યાં હું જઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.” યહૂદી અધિકારીઓએ અંદરોઅંદર કહ્યું, “તે એવી તો કઈ જગ્યાએ જવાનો છે કે તે આપણને નહિ મળે? શું તે યહૂદીઓ રહે છે તેવા ગ્રીક શહેરોમાં જશે, અને ત્યાં ગ્રીક યહૂદીઓને શીખવશે? કારણ, તે કહે છે, ‘તમે મને શોધશો પરંતુ હું તમને મળીશ નહિ,’ અને ‘હું જ્યાં જઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.’ એનો અર્થ શો?” પર્વનો છેલ્લો દિવસ ખૂબ મહત્ત્વનો ગણાતો. તે દિવસે ઈસુએ ઊભા થઈને મોટો ઘાંટો પાડીને કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવે અને પીએ. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ મૂકશે તેના અંતરમાંથી જીવનજળનાં ઝરણાં વહેશે.” ઈસુમાં વિશ્વાસ મૂકનારાઓને મળનાર પવિત્ર આત્માને લક્ષમાં રાખીને તેમણે આ વાત કહી. તે સમયે પવિત્ર આત્મા આપવામાં આવ્યો ન હતો, કારણ, ઈસુ હજી મહિમાવંત કરાયા ન હતા. લોકોમાંના કેટલાકે તેમની એ વાત સાંભળીને કહ્યું, “આ તો ખરેખર ઈશ્વરના સંદેશવાહક છે!” બીજાઓએ કહ્યું, “એ તો મસીહ છે!” પરંતુ કેટલાકે કહ્યું, “મસીહ કંઈ ગાલીલમાંથી આવવાના નથી. શાસ્ત્ર કહે છે કે મસીહ દાવિદના વંશજ હશે અને દાવિદના નગર બેથલેહેમમાંથી આવશે.” આમ, એમને વિષે લોકોમાં ભાગલા પડી ગયા. કેટલાક તેમને પકડવા માગતા હતા, પરંતુ કોઈએ તેમના પર હાથ નાખ્યા નહિ. મંદિરના સંરક્ષકો, મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓ પાસે પાછા ગયા. તેમણે પૂછયું, “તેને કેમ પકડી લાવ્યા નહિ?” સંરક્ષકોએ જવાબ આપ્યો, “આ માણસના જેવું કદી કોઈ બોલ્યું નથી!” ફરોશીઓએ તેમને પૂછયું, “તેણે તમને પણ ભુલાવામાં નાખ્યા? શું કોઈ આગેવાને અથવા કોઈ ફરોશીએ તેના પર વિશ્વાસ મૂક્યો હોય એવું જાણ્યું છે? પરંતુ એ ટોળું મોશેનો નિયમ જાણતું નથી, તેથી તેઓ ઈશ્વરના શાપ નીચે છે!” અગાઉ ઈસુને મળવા જનાર નિકોદેમસ પણ તેમની સાથે હતો. તેણે તેમને કહ્યું, “કોઈ માણસને સાંભળ્યા વગર અને તેણે શું કર્યું છે તેની તપાસ કર્યા વિના આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે આપણે તેને સજાપાત્ર ઠરાવી શક્તા નથી.” તેમણે જવાબ આપ્યો, “ત્યારે તું પણ ગાલીલનો છે એમ ને? શાસ્ત્રનું અયયન કર તો તને સમજ પડશે કે ઈશ્વરનો સંદેશવાહક ગાલીલમાંથી પેદા થવાનો નથી.” ત્યાર પછી તે બધા પોતપોતાને ઘેર ગયા; પરંતુ ઈસુ ઓલિવ પહાડ પર ગયા. બીજે દિવસે વહેલી સવારે તેઓ મંદિરમાં પાછા આવ્યા. બધા લોકો તેમની પાસે એકત્ર થયા, ત્યાં બેસીને ઈસુએ તેમને બોધ કર્યો. નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ વ્યભિચાર કરતાં પકડાયેલી એક સ્ત્રીને લઈ આવ્યા. અને તેને બધાની વચમાં ઊભી રાખી. તેમણે ઈસુને કહ્યું, “ગુરુજી, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. મોશેએ આપણને નિયમશાસ્ત્રમાં એવી આજ્ઞા આપી છે કે એવી સ્ત્રીને પથ્થરો મારીને મારી નાખવી. તો હવે તમે શું કહો છો?” આમ કરવાનો તેમનો હેતુ તો ઈસુની પરીક્ષા કરવાનો હતો; જેથી તેમની ઉપર આરોપ મૂકી શકાય. પરંતુ ઈસુ નીચા નમીને જમીન પર આંગળીથી લખવા લાગ્યા. તેઓ તેમની આસપાસ ઊભા રહી પ્રશ્ર્ન પૂછતા હતા. તેવામાં ઈસુએ ઊભા થઈને કહ્યું, “તમારામાંના જેણે એક પણ પાપ કર્યું ન હોય, તે પહેલો પથ્થર મારે.” તે ફરી નીચા નમીને જમીન પર લખવા લાગ્યા. એ સાંભળીને મોટેરાંઓથી માંડીને નાના સુધી એક પછી એક બધા ચાલ્યા ગયા. ઈસુ એકલા જ ત્યાં રહી ગયા; પેલી સ્ત્રી હજી ઊભી હતી. ઈસુએ ફરી ઊભા થઈને તે સ્ત્રીને કહ્યું, “બહેન, તેઓ ક્યાં ગયા? કોઈ તને સજાપાત્ર ઠરાવવા ન રહ્યું?” તેણે જવાબ આપ્યો, “કોઈ નહિ, પ્રભુ.” ઈસુએ જવાબ આપ્યો, “હું પણ તને સજાપાત્ર ઠરાવતો નથી. જા, હવેથી પાપ કરીશ નહિ.” ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેની પાસે જીવનનો પ્રકાશ રહેશે અને તે કદી અંધકારમાં ચાલશે નહિ.” ફરોશીઓએ તેમને કહ્યું, “તમે પોતે જ પોતાને માટે સાક્ષી આપો છો. તમારી સાક્ષી વજૂદ વગરની છે.” ઈસુએ તેમને જવાબ આપતાં કહ્યું, “હું મારા પોતા વિશે સાક્ષી આપું છતાં પણ મારી સાક્ષી સાચી છે; કારણ, હું જાણું છું કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. તમે માનવી ધોરણે જ તુલના કરો છો; જ્યારે હું કોઈનો ન્યાય કરતો નથી. પરંતુ જો હું ન્યાય કરું તો તે સાચો હશે; કારણ, ન્યાય કરનાર હું એકલો નથી, પણ મને મોકલનાર ઈશ્વરપિતા મારી સાથે છે. તમારા નિયમશાસ્ત્રમાં લખેલું છે કે બે વ્યક્તિની એક્સરખી સાક્ષી વજૂદવાળી ગણાય. હું મારા પોતા વિષે સાક્ષી આપું છું, અને મને મોકલનાર પિતા પણ મારે વિષે સાક્ષી આપે છે.” તેમણે પૂછયું, “તારો પિતા ક્યાં છે?” ઈસુએ જવાબ આપ્યો, “તમે મને કે મારા પિતાને ઓળખતા નથી. જો તમે મને ઓળખતા હોત તો મારા પિતાને પણ ઓળખત.” મંદિરમાં જયાં દાન-પેટીઓ હોય છે ત્યાં શિક્ષણ આપતાં ઈસુએ આ બધું કહ્યું. પરંતુ કોઈએ તેમને પકડયા નહિ, કારણ, તેમનો સમય આવ્યો ન હતો. ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું જાઉં છું અને તમે મને શોધશો, પરંતુ તમે તમારા પાપમાં મરશો. હું જાઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.” ત્યારે યહૂદી અધિકારીઓ કહેવા લાગ્યા, “‘હું જઉં છું ત્યાં તમે આવી શક્તા નથી,’ એમ તે કહે છે, તો શું તે આપઘાત કરવાનો હશે?” ઈસુએ તેમને જવાબ આપ્યો, “તમે આ પૃથ્વી પરના છો, જ્યારે હું ઉપરથી આવ્યો છું. તમે આ દુનિયાના છો, પરંતુ હું આ દુનિયાનો નથી. એટલે જ મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો. હું તે જ છું એવો વિશ્વાસ તમે નહિ મૂકો, તો તમે તમારા પાપમાં જ મરશો.” ત્યારે તેમણે તેમને પૂછયું, “તું કોણ છે?” ઈસુએ જવાબ આપ્યો, “તે તો હું તમને શરૂઆતથી જ કહેતો આવ્યો છું. તમારે વિષે તો મારે ઘણી બાબતો કહેવાની છે અને ન્યાય કરવાનો છે. છતાં મને મોકલનાર સાચા છે અને તેમની પાસેથી જે વાતો સાંભળી છે તે જ હું દુનિયાને સંભળાવું છું.” ઈસુ તેમને ઈશ્વરપિતા વિષે કહી રહ્યા હતા એવું તેઓ સમજી શક્યા નહિ. તેથી ઈસુએ તેમને કહ્યું, “જ્યારે તમે માનવપુત્રને ઊંચે ચઢાવશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું. અને હું મારી પોતાની જાતે કશું જ કરતો નથી, પણ મારા પિતા જે શીખવે તે જ હું બોલું છું. મને મોકલનાર મારી સાથે છે. તેમણે મને એકલો મૂક્યો નથી; કારણ, તેમને જે ગમે છે તે જ હું હંમેશાં કરું છું.” ઈસુની આ વાતો સાંભળીને ઘણાએ તેમના પર વિશ્વાસ મૂક્યો. તેથી તેમના પર વિશ્વાસ મૂકનાર યહૂદીઓને તેમણે કહ્યું, “જો તમે મારું શિક્ષણ પાળો તો જ તમે મારા ખરા શિષ્ય છો. તમે સત્યને જાણશો અને સત્ય તમને સ્વતંત્ર કરશે.” તેમણે જવાબ આપ્યો, “અમે અબ્રાહામના વંશજો છીએ. અમે કદી કોઈના ગુલામ બન્યા નથી. તો પછી ‘તમે સ્વતંત્ર થશો’ એમ તમે શા માટે કહો છો?” ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો ગુલામ છે. ગુલામ ઘરમાં કાયમ રહેતો નથી, પરંતુ પુત્ર કાયમ રહે છે. તેથી જો પુત્ર તમને સ્વતંત્ર કરે તો તમે ખરેખર સ્વતંત્ર થશો. મને ખબર છે કે તમે અબ્રાહામના વંશજો છો. છતાં મારું શિક્ષણ નહિ સ્વીકારવાને લીધે તમે મને મારી નાખવા માગો છો. મારા પિતાએ મને જે દર્શાવ્યું છે તે હું કહી બતાવું છું, પણ તમે તમારા પિતાના કહ્યા પ્રમાણે કરો છો.” તેમણે જવાબ આપ્યો, “અબ્રાહામ અમારો આદિપિતા છે.” ઈસુએ જવાબ આપ્યો, “જો તમે ખરેખર અબ્રાહામના વંશજો હોત, તો તેણે જેવાં કાર્ય કર્યાં એવાં તમે પણ કરત. મેં તો તમને ઈશ્વરપિતા પાસેથી સાંભળેલું સત્ય જ કહ્યું છે. છતાં તમે મને મારી નાખવા માગો છો. અબ્રાહામે આવું કશું કર્યું નહોતું! તમે તો તમારો પિતા જે કાર્ય કરતો હતો, તે જ કરો છો.” તેમણે કહ્યું, “અમે વ્યભિચારથી જન્મેલાં સંતાનો નથી. એકલા ઈશ્વર જ અમારા પિતા છે.” ઈસુએ તેમને કહ્યું, “જો ઈશ્વર ખરેખર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ કરત, કારણ, હું ઈશ્વર પાસેથી અહીં આવ્યો છું. હું મારી પોતાની મેળે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે. તમે શા માટે મારી વાત સમજતા નથી? એટલા જ માટે કે તમે મારો સંદેશ સહી શક્તા નથી. તમારો બાપ તો શેતાન છે. તમે તમારા બાપની દુર્વાસના પ્રમાણે ચાલો છો. તે આરંભથી જ મનુષ્યઘાતક હતો. તે સત્યને પક્ષે ઊભો રહ્યો નથી; કારણ, તેનામાં સત્ય છે જ નહિ. જૂઠું બોલવું તે તેને માટે સ્વાભાવિક છે, કારણ, તે જુઠ્ઠો છે અને જુઠ્ઠાનો બાપ છે. હું સત્ય કહું છું એટલે જ તમે મારું માનતા નથી. તમારામાંનો કોણ મારા પર પાપ પુરવાર કરી શકે તેમ છે? જો હું સત્ય કહું તો તમે મારું કેમ માનતા નથી? જે ઈશ્વરનો છે તે ઈશ્વરનું સાંભળે છે; પણ તમે ઈશ્વરના નથી એટલે જ મારું સાંભળતા નથી.” યહૂદીઓએ તેમને સંભળાવ્યું, “તું સમરૂની છે અને તને ભૂત વળગ્યું છે એમ અમે કહીએ છીએ તે શું સાચું નથી?” ઈસુએ જવાબ આપ્યો, “મને ભૂત વળગ્યું નથી. હું મારા પિતાને માન આપું છું, પરંતુ તમે મારું અપમાન કરો છો. હું મારું માન શોધતો નથી; એની ચિંતા કરનાર અને ન્યાય કરનાર તો બીજો છે. હું તમને સાચે જ કહું છું: જો કોઈ મારા સંદેશને આધીન થશે તો તે કદી પણ મરશે નહિ.” યહૂદીઓએ તેમને કહ્યું, “હવે અમે ખરેખર સમજી ગયા છીએ કે તને ભૂત વળગ્યું છે. અબ્રાહામ મરણ પામ્યો, ઈશ્વરના સંદેશવાહકો મરણ પામ્યા અને છતાં પણ તું કહે છે, ‘જો કોઈ મારા સંદેશને આધીન થશે તો તે કદી પણ મરશે નહિ?’ અમારા આદિપિતા અબ્રાહામ કરતાં શું તું મોટો હોવાનો દાવો કરે છે? તે મરી ગયો, અને ઈશ્વરના સંદેશવાહકો પણ મરી ગયા. તું પોતાને શું સમજે છે?” ઈસુએ જવાબ આપ્યો, “જો હું પોતાને માન આપું, તો એ માનનો કંઈ અર્થ નથી. મને માન આપનાર મારા પિતા, જેને તમે તમારા ઈશ્વર કહો છો, તે જ છે. તમે તેમને ઓળખ્યા નથી, પરંતુ હું તેમને ઓળખું છું. જો હું એમ કહું કે હું તેમને ઓળખતો નથી, તો તમારી જેમ હું પણ જૂઠો ઠરું. પરંતુ હું તેમને ઓળખું છું અને તેમના સંદેશ અનુસાર વર્તુ છું. મારો સમય જોવાનો મળશે એવી આશાથી તમારો પિતા અબ્રાહામ હરખાયો. તે સમય તેણે જોયો અને તેને આનંદ થયો.” યહૂદીઓએ તેમને કહ્યું, “હજી તો તું પચાસ વર્ષનો પણ થયો નથી તો તેં અબ્રાહામને કેવી રીતે જોયો?” ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: ‘અબ્રાહામના જન્મ પહેલાંનો હું છું.’ ત્યારે તેમણે તેમને મારવા પથ્થરો લીધા, પરંતુ ઈસુ સંતાઈ જઈને મંદિરમાંથી બહાર નીકળી ગયા. રસ્તે જતાં ઈસુએ જન્મથી આંધળા એક માણસને જોયો. તેમના શિષ્યોએ પૂછયું, “ગુરુજી, કોના પાપે એ આંધળો જનમ્યો? પોતાનાં કે તેનાં માતાપિતાનાં?” ઈસુએ જવાબ આપ્યો, “એના અંધાપાને એનાં કે એનાં માતાપિતાનાં પાપ સાથે કંઈ સંબંધ નથી; પણ તેનામાં ઈશ્વરની કાર્યશક્તિ પ્રગટ થાય તે માટે તે આંધળો જનમ્યો છે. જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી મને મોકલનારનાં કાર્યો આપણે ચાલુ રાખવાં જ જોઈએ. રાત આવે છે, જ્યારે કોઈથી ક્મ કરી શક્તું નથી. હું દુનિયામાં છું ત્યાં સુધી હું દુનિયાનો પ્રકાશ છું.” એમ કહ્યા પછી ઈસુ જમીન પર થૂંક્યા અને થૂંકથી માટી પલાળીને તે માણસની આંખ પર ચોપડી, અને તેને કહ્યું, “જા, શિલોઆમ (અર્થાત્ મોકલાયેલો)ના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ.” તેથી તે ગયો, મોં ધોયું અને દેખતો થઈને પાછો આવ્યો. પછી તેના પડોશીઓ અને આ પહેલાં જેમણે તેને ભીખ માગતાં જોયો હતો તેમણે પૂછપરછ કરી, “પેલો બેઠો બેઠો ભીખ માંગતો હતો એ જ આ માણસ નથી?” કેટલાએકે કહ્યું, “હા, એજ છે;” બીજાઓએ કહ્યું, “ના રે ના, એ તો એના જેવો લાગે છે.” એટલે તેણે પોતે જ કહ્યું, “હું તે જ છું.” તેથી તેમણે તેને પૂછયું, “તારી આંખો કેવી રીતે ઊઘડી ગઈ?” તેણે જવાબ આપ્યો, “ઈસુ નામના માણસે થોડી માટી પલાળીને મારી આંખ પર લગાવીને મને કહ્યું, ‘શિલોઆમના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ.’ એટલે હું ગયો અને જેવું મેં મોં ધોયું કે હું દેખતો થયો.” તેમણે પૂછયું, “તે ક્યાં છે?” તેણે જવાબ આપ્યો, “મને ખબર નથી.” પછી તેઓ પેલા આંધળા માણસને ફરોશીઓ પાસે લઈ આવ્યા. જે દિવસે ઈસુએ માટી પલાળીને તેની આંખો ઉઘાડી હતી, તે તો વિશ્રામવાર હતો. તેથી ફરોશીઓએ તે કઈ રીતે દેખતો થયો એ વિષે પૂછયું. તેણે તેમને કહ્યું, “તેમણે થોડી માટી પલાળીને લગાવી, મેં મારું મોં ધોયું અને હવે હું જોઈ શકું છું.” કેટલાએક ફરોશીઓએ કહ્યું, “આવું કરનાર માણસ ઈશ્વર તરફથી આવેલો નથી, કારણ, તે વિશ્રામવાર પણ પાળતો નથી.” બીજાઓએ કહ્યું, “પાપી માણસ આવાં અદ્‍ભુત કાર્યો કેવી રીતે કરી શકે?” એમ તેમનામાં પક્ષ પડી ગયા. તેથી ફરોશીઓએ એ માણસને ફરી પૂછયું, “તું કહે છે કે તેણે તને દેખતો કર્યો છે, તો પછી તું તેને વિષે શું કહે છે?” તેણે જવાબ આપ્યો, “તે ઈશ્વરના સંદેશવાહક છે.” યહૂદી અધિકારીઓ હજી પણ માનવા તૈયાર ન હતા કે તે માણસ આંધળો હતો અને હવે દેખતો થયો છે. તેથી તેમણે તેનાં માબાપને બોલાવ્યાં અને પૂછયું, “શું આ તમારો દીકરો છે? તમે તો કહો છો કે તે આંધળો જ જનમ્યો હતો તો પછી તે હવે શી રીતે જોઈ શકે છે?” માબાપે જવાબ આપ્યો, “એ અમારો દીકરો છે અને એ જન્મથી આંધળો હતો એ અમે જાણીએ છીએ. પરંતુ હવે તે શી રીતે જોઈ શકે છે અને કોણે તેની આંખો ઉઘાડી તેની અમને ખબર નથી. તેને જ પૂછો ને! તે પુખ્ત ઉંમરનો છે અને પોતે જવાબ આપી શકે તેમ છે.” તેનાં માબાપ યહૂદી અધિકારીઓથી ડરતાં હોવાથી તેમણે એમ કહ્યું. કારણ, યહૂદી અધિકારીઓએ જે કોઈ ઈસુને મસીહ તરીકે સ્વીકારે તેનો ભજનસ્થાનમાંથી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. તેથી જ તેનાં માબાપે કહ્યું, “તે પુખ્ત ઉંમરનો છે; તેને જ પૂછો.” આંધળા જન્મેલા માણસને તેમણે બીજીવાર બોલાવડાવ્યો અને કહ્યું, “ઈશ્વરનો ડર રાખીને સાચું બોલજે. અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે.” તે માણસે જવાબ આપ્યો, “તે માણસ પાપી છે કે નહિ તે હું જાણતો નથી. એક વાત હું જરૂર જાણું છું: હું આંધળો હતો અને હવે દેખતો થયો છું.” તેમણે તેને પૂછયું, “તેણે તને શું કર્યું હતું? તેણે કેવી રીતે તારી આંખો ઉઘાડી?” તેણે જવાબ આપ્યો, “મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે માનતા નથી. તમે કેમ ફરી ફરીને એનું એ જ સાંભળવા માંગો છો? તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો” તેમણે તેને હડાૂત કરી કહ્યું, “તું તેનો શિષ્ય લાગે છે. અમે તો મોશેના શિષ્યો છીએ. અમને ખબર છે કે ઈશ્વર મોશે સાથે બોલ્યા હતા, પણ એ કોના તરફથી આવ્યો છે તે અમે જાણતા નથી.” તે માણસે જવાબ આપ્યો, “આ તે કેવી વિચિત્ર વાત! તેમણે મારી આંખો ઉઘાડી છે, તો પણ તમને ખબર નથી કે તે કોના તરફથી આવ્યા છે. સૌ જાણે છે કે ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી; પણ પોતાના ભક્તનું અને તેમની ઇચ્છા પ્રમાણે ચાલનારનું તે જરૂર સાંભળે છે. કોઈએ આંધળા જન્મેલા માણસની આંખો કદી ઉઘાડી હોય એવું સાંભળવામાં આવ્યું નથી. જો એ માણસ ઈશ્વર તરફથી આવ્યા ન હોત તો તે આવું કશું કરી શક્યા ન હોત.” તેમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું, “તું તો પૂરેપૂરો પાપમાં જનમ્યો અને ઊછર્યો છે, અને પાછો અમને શીખવે છે?” અને તેમણે તેને કાઢી મૂક્યો. તેને કાઢી મૂકવામાં આવ્યો છે એવું ઈસુએ સાંભળ્યું એટલે તેમણે તેને મળીને કહ્યું, “શું તું માનવપુત્ર પર વિશ્વાસ મૂકે છે?” તે માણસે જવાબ આપ્યો, “પ્રભુ, તે કોણ છે તે મને કહો; જેથી હું તેમનામાં વિશ્વાસ મૂકું.” ઈસુએ તેને કહ્યું, “તેં તેને જોયો છે, અને અત્યારે તે જ તારી સાથે વાત કરી રહ્યો છે.” “પ્રભુ, હું વિશ્વાસ કરું છું,” એમ કહેતાં તે તેમને પગે પડયો. ઈસુએ કહ્યું, “હું દુનિયાનો ન્યાય કરવા આવ્યો છું, જેથી આંધળાઓ જોઈ શકે, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય.” કેટલાક ફરોશીઓ તેમની સાથે હતા. તેમણે ઈસુને એમ બોલતા સાંભળ્યા એટલે પૂછયું, “તો શું તમે એમ કહેવા માગો છો કે અમે આંધળા છીએ?” ઈસુએ જવાબ આપ્યો, “જો તમે આંધળા હોત તો તમને દોષ ન લાગત, પણ તમે તો કહો છો કે અમે દેખતા છીએ; અને તેથી તમારો દોષ કાયમ રહે છે.” “હું તમને સાચે જ કહું છું: જે કોઈ દરવાજે થઈને ઘેટાંના વાડામાં આવતો નથી પરંતુ બીજા કોઈ માર્ગેથી આવે છે તે ચોર અને લૂંટારો છે. દરવાજે થઈને જે પ્રવેશ કરે છે તે ઘેટાંનો પાલક છે. દરવાન તેને માટે દરવાજો ખોલે છે. તે નામ દઈને પોતાનાં ઘેટાંને બોલાવે છે, અને ઘેટાં તેનો સાદ સાંભળે છે. તે તેમને વાડાની બહાર લઈ જાય છે. પોતાનાં ઘેટાંને બહાર લાવ્યા પછી તે તેમની આગળ ચાલે છે અને ઘેટાં તેમની પાછળ ચાલે છે; કારણ, ઘેટાં તેનો સાદ ઓળખે છે. તેઓ કોઈ અજાણ્યાની પાછળ કદી ચાલશે નહિ. એથી ઊલટું, તેનાથી દૂર ભાગશે, કારણ, તેઓ તેનો સાદ ઓળખતાં નથી.” ઈસુએ આ ઉદાહરણ કહ્યું, પરંતુ તે શું કહેવા માગે છે તે તેઓ સમજી શક્યા નહિ. તેથી ઈસુએ ફરી કહ્યું, “હું તમને સાચે જ કહું છું: ઘેટાંના વાડાનો દરવાજો હું છું. મારી પહેલાં જેઓ આવ્યા, તેઓ બધા ચોર અને લૂંટારા હતા. પરંતુ ઘેટાંએ તેમનું સાંભળ્યું નહિ. દરવાજો હું છું; જો કોઈ મારા દ્વારા પ્રવેશ કરે છે, તો તે ઉદ્ધાર પામશે. તે અંદર આવી શકશે અને બહાર લઈ જવાશે અને તેને ચારો મળશે. ચોર તો ફક્ત ચોરી કરવા, હત્યા અને નાશ કરવા આવે છે; પણ હું એટલા માટે આવ્યો છું કે તેમને જીવન, હા, ભરપૂર જીવન મળે. “હું ઉત્તમ ધેટાંપાલક છું; ઉત્તમ ઘેટાંપાલક પોતાનાં ઘેટાંને માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર હોય છે. ભાડૂતી માણસ, જે ઘેટાંપાલક કે ઘેટાંનો માલિક નથી તે વરુને આવતું જોઈને તેમને મૂકીને નાસી જાય છે, અને વરુ તેમના પર હુમલો કરે છે અને તેમને વેરવિખેર કરી નાખે છે. ભાડૂતી માણસ નાસી જાય છે, કારણ, તે ભાડૂતી છે, અને તેને ઘેટાંની દરકાર નથી. હું ઉત્તમ ઘેટાંપાલક છું. જેમ પિતા મને ઓળખે અને હું પિતાને ઓળખું છું તેમ હું મારાં ઘેટાંને ઓળખું છું અને તેઓ મને ઓળખે છે અને હું તેમને માટે મારો જીવ આપું છું. વળી, મારાં બીજાં ઘેટાં પણ છે, જે અત્યારે આ વાડામાં નથી. તેમને પણ મારે વાડામાં લાવવાં જોઈએ. તેઓ પણ મારો સાદ સાંભળશે અને આખરે એક ટોળું અને એક ઘેટાંપાલક બનશે. “પિતા મને ચાહે છે, કારણ, હું મારો જીવ આપું છું; એ માટે કે હું તે પાછો લઉં. કોઈ મારું જીવન મારી પાસેથી લઈ શકતું નથી. હું મારી સ્વેચ્છાએ તે અર્પી દઉં છું. તે આપવાનો અને પાછું લેવાનો મને અધિકાર છે. મારા પિતાએ મને એમ કરવાનો અધિકાર આપ્યો છે.” ફરીથી તેમના આ શબ્દોને કારણે યહૂદીઓમાં ભાગલા પડયા. તેમનામાંના ઘણા કહેવા લાગ્યા, “તેને ભૂત વળગ્યું છે! તે પાગલ થઈ ગયો છે! તમે તેનું કેમ સાંભળો છો?” પરંતુ બીજાઓએ કહ્યું, “ભૂત વળગેલો માણસ આવા શબ્દો બોલી શકે? ભૂત આંધળાની આંખો કેવી રીતે ઉઘાડી શકે?” શિયાળાનો સમય હતો. યરુશાલેમના મંદિરની પ્રતિષ્ઠાનું પર્વ ઊજવવાના દિવસો આવ્યા હતા. ઈસુ મંદિરમાં શલોમોનની પરસાળમાં ફરતા હતા. યહૂદીઓ તેમને ઘેરી વળ્યા અને તેમને કહ્યું, “તું ક્યાં સુધી અમને ભ્રમમાં રાખીશ? જો તું મસીહ હોય તો અમને સાચેસાચું કહી દે.” ઈસુએ જવાબ આપ્યો, “મેં તો તમને સાચેસાચું કહી દીધું છે, પણ તમે માનતા નથી. મારા પિતાના અધિકારથી જે કામો હું કરું છું તે મારે વિષે સાક્ષી પૂરે છે. પરંતુ તમે મારું માનતા નથી; કારણ, તમે મારાં ઘેટાં નથી. મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે અને હું તેમને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેમને સાર્વકાલિક જીવન આપું છું, અને તેઓ કદી મરશે નહિ, અને મારી પાસેથી કોઈ તેમને ઝૂંટવી શકશે નહિ. મારા પિતાએ મને જે સોંપ્યું છે તે સૌથી મહાન છે, અને મારા પિતાની સંભાળમાંથી તેમને કોઈ ઝૂંટવી લઈ શકે તેમ નથી. હું અને પિતા એક છીએ.” પછી યહૂદીઓએ ફરીથી ઈસુને મારવા પથ્થર લીધા. ઈસુએ તેમને કહ્યું, “પિતાએ સોંપેલાં ઘણાં સારાં કાર્યો મેં તમારી આગળ કર્યાં છે. એમાંના કયા કાર્યને લીધે તમે મને પથ્થરે મારવા તૈયાર થયા છો?” યહૂદીઓએ જવાબ આપ્યો, “તારા કોઈ સારા કાર્યને માટે નહિ, પણ તારી ઈશ્વરનિંદાને લીધે, અને તું માનવી હોવા છતાં પોતે ઈશ્વર સમાન હોવાનો દાવો કરે છે તેને લીધે અમે તને પથ્થરે મારવા માગીએ છીએ.” ઈસુએ જવાબ આપ્યો, “તમારા નિયમશાસ્ત્રમાં ‘ઈશ્વરે કહ્યું: તમે દેવો છો,’ એમ લખેલું નથી? આપણે જાણીએ છીએ કે શાસ્ત્ર જે કહે છે તે સાચું છે. જેમને ઈશ્વરનો સંદેશ આપવામાં આવ્યો તેમને ઈશ્વરે દેવો કહ્યા. તો પછી પિતાએ મને અલગ કરીને આ દુનિયામાં મોકલ્યો છે ત્યારે ‘હું ઈશ્વરપુત્ર છું.’ એમ કહેવામાં હું ઈશ્વરનિંદા કરું છું એવું તમે કઈ રીતે કહી શકો? જો હું મારા પિતાનાં કાર્યો કરતો ન હોઉં, તો મારા પર વિશ્વાસ ન કરશો. હું તે કાર્યો કરું છું, તે પરથી ય તમને મારામાં વિશ્વાસ ન હોય, તો પણ મારાં કાર્યોનો પુરાવો તો માન્ય રાખો; જેથી તમે સમજો અને જાણો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું.” ફરીવાર તેમણે તેમની ધરપકડ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તે તેમના હાથમાંથી છટકી ગયા. પછી યર્દનને સામે પાર જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો તે સ્થળે ઈસુ પાછા ગયા અને ત્યાં રહ્યા. ઘણા લોકો તેમની પાસે આવ્યા. તેઓ કહેતા, “યોહાને કોઈ અદ્‍ભુત કાર્ય કર્યું ન હતું, પરંતુ આ માણસ વિષે તેણે જે જે કહ્યું હતું તે સાચું ઠર્યું છે.” અને ત્યાં ઘણા લોકોએ તેમના પર વિશ્વાસ મૂક્યો. બેથાનિયામાં વસનાર મિર્યામ અને માર્થાનો ભાઈ લાઝરસ માંદો પડયો. આ જ મિર્યામે પ્રભુને પગે અત્તર ચોળ્યું હતું અને પોતાના વાળથી તેને લૂછયા હતા. તેનો ભાઈ લાઝરસ માંદો પડયો હતો. આથી બહેનોએ ઈસુને કહેવડાવ્યું, “પ્રભુ, તમે જેના પર પ્રેમ કરો છો તે માંદો છે.” તે સાંભળીને ઈસુએ કહ્યું, “લાઝરસનું મરણ થાય એવી આ માંદગી નથી, પરંતુ ઈશ્વરને મહિમા મળે માટે તે આવી છે; જેથી તે દ્વારા ઈશ્વરપુત્રનો મહિમા થાય.” માર્થા અને તેની બહેન તથા લાઝરસ પર ઈસુ પ્રેમ રાખતા હતા. લાઝરસ માંદો છે એવા સમાચાર તેમને મળ્યા. છતાં, તેઓ જ્યાં હતા ત્યાં બે દિવસ વધુ રોકાઈ ગયા. પછી શિષ્યોને કહ્યું, “ચાલો, યહૂદિયા પાછા જઈએ.” શિષ્યોએ કહ્યું, “ગુરુજી, હજુ થોડા સમય પહેલાં તો યહૂદીઓ તમને પથ્થરે મારવા માગતા હતા, છતાં તમારે પાછા ત્યાં જવું છે?” ઈસુએ કહ્યું, “શું દિવસમાં બાર કલાક નથી હોતા? જો કોઈ દિવસે ચાલે તો તે ઠોકર ખાતો નથી; કારણ, આ દુનિયાનો પ્રકાશ તે જુએ છે. પરંતુ જો તે રાત દરમિયાન ચાલે તો તે ઠોકર ખાય છે; કારણ, તેની પાસે પ્રકાશ નથી.” આમ કહ્યા પછી ઈસુએ જણાવ્યું, “આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે; પણ હું જઈને તેને ઉઠાડીશ.” શિષ્યોએ જવાબ આપ્યો, “પ્રભુ, જો તે ઊંઘતો હોય તો તો તે સાજો થઈ જશે.” પરંતુ ઈસુના કહેવાનો અર્થ તો એ હતો કે લાઝરસ મરણ પામ્યો છે. શિષ્યોને એવું લાગ્યું કે તે કુદરતી ઊંઘના અર્થમાં બોલે છે. તેથી ઈસુએ તેમને સ્પષ્ટ કહ્યું, “લાઝરસનું અવસાન થયું છે; હું ત્યાં તેની સાથે ન હતો તેથી મને તમારે લીધે આનંદ થાય છે. કારણ, હવે તમે વિશ્વાસ કરી શકશો. ચાલો, આપણે ત્યાં જઈએ.” થોમાએ (અર્થાત્ “જોડિયો” તેના સાથી શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ!” ઈસુ આવી પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે લાઝરસનું દફન કર્યાને ચાર દિવસ વીતી ગયા છે. હવે બેથાનિયા યરુશાલેમથી આશરે ત્રણ કિલોમીટર દૂર છે. ઘણા યહૂદીઓ માર્થા અને મિર્યામને તેના ભાઈના મરણ અંગે દિલાસો આપવા આવ્યા હતા. જ્યારે માર્થાને ખબર પડી કે ઈસુ આવી રહ્યા છે ત્યારે તે તેમને મળવા ગઈ; પરંતુ મિર્યામ ઘેર જ રહી. માર્થાએ ઈસુને કહ્યું, “પ્રભુ, જો તમે અહીં હોત તો મારા ભાઈનું મરણ થાત નહિ. પરંતુ હું જાણું છું કે, હજી પણ તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો તે તેઓ તમને આપશે.” ઈસુએ કહ્યું, “તારો ભાઈ ફરી સજીવન થશે.” તેણે જવાબ આપ્યો, “હું જાણું છું કે છેલ્લે દિવસે પુનરુત્થાનમાં તે પાછો સજીવન થશે.” ઈસુએ તેને કહ્યું, “સજીવન કરનાર અને જીવન આપનાર હું છું. મારા પર વિશ્વાસ મૂકનાર જોકે મરી જાય તોપણ તે જીવતો થશે, અને જીવંત વ્યક્તિ મારામાં વિશ્વાસ મૂકશે તો તે કદી પણ મરણ પામશે નહિ. શું તું આ વાત માને છે?” તેણે જવાબ આપ્યો, “હા, પ્રભુ, હું વિશ્વાસ કરું છું કે આ દુનિયામાં આવનાર મસીહ એટલે ઈશ્વરપુત્ર તે તમે જ છો.” આમ કહ્યા પછી તે પાછી ચાલી ગઈ અને પોતાની બહેન મિર્યામને ખાનગીમાં મળીને કહ્યું, “ગુરુજી આવ્યા છે અને તે તને બોલાવે છે.” મિર્યામે એ સાંભળ્યું કે તરત તે ઊઠીને તેમને મળવા દોડી. ઈસુ હજી ગામની અંદર આવ્યા ન હતા; પરંતુ હજી જ્યાં માર્થા તેમને મળી હતી ત્યાં જ હતા. જે યહૂદીઓ ઘરમાં મિર્યામની સાથે હતા અને તેને દિલાસો આપી રહ્યા હતા તેમણે મિર્યામને દોડી જતી જોઈ, અને તે કબર પર કલ્પાંત કરવા જાય છે એમ ધારીને તેની પાછળ પાછળ ગયા. ઈસુ જ્યાં હતા ત્યાં મિર્યામ આવી, ત્યારે તેમના પગોમાં પડીને તેણે કહ્યું, “પ્રભુજી, જો તમે અહીં હોત તો, મારા ભાઈનું મરણ થાત નહિ!” તેને અને જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેમને રડતાં જોઈને ઈસુનું હૈયું ભરાઈ આવ્યું. તેમણે નિસાસો નાખ્યો. અને પૂછયું, “તમે તેને ક્યાં દફનાવ્યો છે?” તેમણે કહ્યું, “પ્રભુજી, આવો અને જુઓ!” ઈસુ રડયા. તેથી યહૂદીઓએ કહ્યું, “જુઓ તો ખરા, તેમને તેના પર કેટલો બધો પ્રેમ છે!” પણ કેટલાકે કહ્યું, “જેમણે આંધળા માણસની આંખો ઉઘાડી તે લાઝરસને મરણ પામતો અટકાવી શક્યા ન હોત?” ઊંડો નિસાસો નાખતાં ઈસુ કબરે ગયા. એ તો એક ગુફા હતી કે જેના મુખ પર પથ્થર મૂકેલો હતો. ઈસુએ આજ્ઞા કરી, “પથ્થર ખસેડો.” મરનારની બહેન માર્થાએ જવાબ આપ્યો, “પ્રભુ, હવે તો તેની દુર્ગંધ આવશે, તેને દફનાવ્યાને આજે ચાર દિવસ થયા છે!” ઈસુએ તેને કહ્યું, “જો તું વિશ્વાસ કરીશ તો તું ઈશ્વરનો મહિમા જોઈશ એવું મેં તને કહ્યું ન હતું?” તેથી તેમણે પથ્થર ખસેડી દીધો. ઈસુએ ઊંચે જોઈને કહ્યું, “પિતા, તમે મારું સાંભળ્યું છે, તેથી હું તમારો આભાર માનું છું. મને ખાતરી છે કે તમે સર્વદા મારું સાંભળો છો. પરંતુ અહીં ઊભેલા લોકો માટે હું આ કહું છું. એ માટે કે તમે મને મોકલ્યો છે એમ તેઓ માને.” આટલું બોલીને તેમણે મોટે સાદે બૂમ પાડી, “લાઝરસ, બહાર આવ!” એટલે લાઝરસ બહાર આવ્યો. તેના હાથ અને પગ દફનનાં કપડાંથી વીંટળાયેલા હતા અને તેના મોં પર રૂમાલ ઢાંકેલો હતો. ઈસુએ તેમને કહ્યું, “તેનાં બંધન છોડી નાખો, અને તેને જવા દો.” મિર્યામની મુલાકાતે આવેલાઓમાંથી ઘણા યહૂદીઓએ ઈસુએ જે કર્યું હતું તે જોઈને તેમના પર વિશ્વાસ મૂક્યો. પણ કેટલાક ફરોશીઓ પાસે પાછા ગયા અને ઈસુએ જે કર્યું હતું તે કહી જણાવ્યું. તેથી ફરોશીઓ અને મુખ્ય યજ્ઞકારોએ યહૂદીઓની મુખ્ય સભા બોલાવી અને કહ્યું, “હવે શું કરીશું? આ માણસ તો ઘણાં અદ્‍ભુત કાર્યો કરી રહ્યો છે! જો આમને આમ ચાલશે તો બધા તેના પર વિશ્વાસ મૂકશે, અને પછી રોમનો આવીને આપણા મંદિરનો અને આખી પ્રજાનો નાશ કરશે!” ક્યાફાસ, જેનો તે વર્ષે પ્રમુખ યજ્ઞકાર તરીકે વારો હતો તે પણ તેમની મયે હતો. તેણે કહ્યું, “તમને કંઈ ખબર પડતી નથી. આખી પ્રજાનો નાશ થાય તે કરતાં એક વ્યક્તિ બધા લોકોને બદલે મરે તે તમારા હિતમાં છે, એમ તમને નથી લાગતું?” ખરેખર તે પોતા તરફથી આ બોલ્યો ન હતો, પણ એ વર્ષે તે પ્રમુખ યજ્ઞકાર હતો અને યહૂદી પ્રજા માટે, અને એકલા તેમને માટે જ નહિ, પરંતુ ઈશ્વરનાં વેરવિખેર થઈ ગયેલાં સંતાનોને એક કરવા માટે ઈસુ મરણ પામવાના હતા તેની આગાહી કરતાં તેણે તે કહ્યું. તે દિવસથી જ યહૂદી અધિકારીઓએ ઈસુને મારી નાખવાનો નિર્ણય કર્યો. તેથી ઈસુએ જાહેર રીતે યહૂદિયામાં ફરવાનું બંધ કર્યું, અને ત્યાંથી નીકળીને વેરાન પ્રદેશમાં આવેલા એફ્રાઈમના એક નજીકના ગામમાં ચાલ્યા ગયા અને પોતાના શિષ્યો સાથે ત્યાં રહ્યા. યહૂદીઓનું પાસ્ખા પર્વ નજીક આવ્યું એટલે શુદ્ધિકરણની ક્રિયાને માટે દેશમાંથી ઘણા લોકો પર્વ શરૂ થાય તે પહેલાં યરુશાલેમ પહોંચી ગયા. તેઓ ઈસુને શોધતા હતા. તેઓ મંદિરમાં એકઠા મળ્યા ત્યારે એકબીજાને પૂછવા લાગ્યા, “તમને શું લાગે છે? તે પર્વમાં આવશે કે નહિ?” મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ એવો હુકમ કાઢયો હતો કે ઈસુ ક્યાં છે તેની જેને ખબર પડે તેણે તે વિષેની માહિતી આપવી, જેથી તેમની ધરપકડ કરી શકાય. પાસ્ખા પર્વના છ દિવસ પહેલાં ઈસુ બેથાનિયા આવ્યા. ત્યાં લાઝરસ જેને ઈસુએ મરણમાંથી સજીવન કરેલો તે રહેતો હતો. તેમણે ઈસુને જમવા બોલાવ્યા. માર્થા પીરસતી હતી; જ્યારે લાઝરસ ઈસુની સાથે જમવા બેઠો હતો. પછી મિર્યામે જટામાંસીનું આશરે ચારસો ગ્રામ શુદ્ધ અને કીમતી અત્તર લાવીને ઈસુના ચરણો પર રેડયું અને ચરણોને પોતાના વાળથી લૂછયા. અત્તરની સુવાસથી આખું ઘર ભરાઈ ગયું. ઈસુનો એક શિષ્ય યહૂદા ઈશ્કારિયોત, જે તેમની ધરપકડ કરાવનાર હતો તેણે કહ્યું, “આ અત્તર ત્રણસો દીનારમાં વેચીને તે પૈસા ગરીબોને કેમ ન આપ્યા?” ગરીબો માટે તેને દરકાર હતી માટે નહિ, પણ તે ચોર હતો તેથી તેણે આમ કહ્યું. પૈસાની કોથળી તેની પાસે રહેતી અને તેમાંથી તે પૈસા મારી ખાતો. પરંતુ ઈસુએ કહ્યું, “એને જેમ કરવું હોય તેમ કરવા દો! મારા દફનના દિવસને માટે બાકીનું અત્તર તે ભલે સાચવી રાખતી. ગરીબો હંમેશાં તમારી સાથે છે, પરંતુ હું હંમેશાં તમારી સાથે નથી.” ઈસુ બેથાનિયામાં છે એવું સાંભળીને યહૂદીઓનો એક મોટો સમુદાય ત્યાં આવ્યો. ફક્ત ઈસુને જ નહિ પણ લાઝરસ, જેને તેમણે સજીવન કર્યો હતો, તેને જોવા તેઓ આવ્યા. તેથી મુખ્ય યજ્ઞકારોએ લાઝરસને પણ મારી નાખવાનું વિચાર્યું. કારણ, તેને લીધે ઘણા યહૂદીઓ પોતાના આગેવાનોને મૂકીને ઈસુ પર વિશ્વાસ કરવા લાગ્યા હતા. બીજે દિવસે પાસ્ખાપર્વ માટે આવેલા મોટા જનસમુદાયે સાંભળ્યું કે ઈસુ યરુશાલેમ આવે છે. તેથી તેઓ ખજૂરીની ડાળીઓ લઈ તેમનું સ્વાગત કરવા ગયા. તેઓ સૂત્રો પોકારતા હતા, “હોસાન્‍ના, પ્રભુને નામે ઇઝરાયલનો જે રાજા આવે છે તેને ધન્ય હો!” ઈસુ એક ખોલકો મળી આવતાં તેના પર સવાર થયા; જેમ ધર્મશાસ્ત્રમાં લખેલું છે તેમ, “હે સિયોન નગરી, ડરીશ નહિ, જો, તારો રાજા ખોલકા પર સવાર થઈને આવે છે.” શરૂઆતમાં તો શિષ્યો આ બધું સમજ્યા ન હતા. પણ ઈસુ જ્યારે મહિમાવંત કરાયા, ત્યારે શિષ્યોને યાદ આવ્યું કે ધર્મશાસ્ત્રમાં એ અંગે લખેલું છે, અને લોકોએ તેમને તે પ્રમાણે કર્યું હતું. ઈસુએ લાઝરસને કબરમાંથી બહાર બોલાવ્યો હતો અને તેને મરેલામાંથી સજીવન કર્યો હતો, ત્યારે જે લોકો ઈસુની સાથે ત્યાં હતા, તેમણે જે બન્યું હતું તેની જાહેરાત કરી હતી. એટલે જ આ આખો જનસમુદાય તેમને સત્કારવા આવ્યો હતો; કારણ, તેમણે એ અદ્‍ભુત કૃત્ય વિષે સાંભળ્યું હતું. ફરોશીઓએ એકબીજાને કહ્યું, “જોયું ને, આપણું તો કંઈ ચાલતું નથી. જુઓ, આખી દુનિયા તેની પાછળ જાય છે!” પર્વ સમયે યરુશાલેમમાં ભજન કરવા આવેલા લોકોમાં કેટલાક ગ્રીકો પણ હતા. તેમણે ગાલીલના બેથસાઈદા ગામના ફિલિપની પાસે આવીને કહ્યું, “સાહેબ, અમે ઈસુનાં દર્શન કરવા માગીએ છીએ.” ફિલિપે જઈને આંદ્રિયાને કહ્યું અને તે બન્‍નેએ સાથે મળીને તે ઈસુને કહ્યું, ઈસુએ જવાબ આપ્યો, “માનવપુત્રનો મહિમાવંત થવાનો સમય આવી લાગ્યો છે. હું તમને સાચે જ કહું છું: ઘઉંનો દાણો જમીનમાં વવાઈને મરી ન જાય, તો તે એક જ દાણો રહે છે. જો તે મરી જાય તો તે ઘણા દાણા ઉપજાવે છે. જે કોઈ પોતાના જીવનને વહાલું ગણે છે, તે તેને ગુમાવે છે. અને જે કોઈ આ દુનિયામાં પોતાના જીવનનો દ્વેષ કરે છે તે સાર્વકાલિક જીવનને માટે તેને સંભાળી રાખશે. જોે કોઈ મારી સેવા કરવા માગતો હોય તો તેણે મને અનુસરવું જ રહ્યું; જેથી જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જે મારી સેવા કરે છે, તેનું મારા પિતા સન્માન કરશે.” “હવે મારો આત્મા વ્યાકુળ થયો છે. હું શું કહું? ‘ઓ પિતા, આ સમયમાંથી મને બચાવો,’ એમ કહું? પરંતુ આ દુ:ખના સમયમાંથી પસાર થવા તો હું આવ્યો છું. હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો!” ત્યારે આકાશમાંથી વાણી થઈ, “મેં એ મહિમા પ્રગટ કર્યો છે, અને ફરી પણ કરીશ.” ત્યાં ઊભા રહેલા જનસમુદાયે તે વાણી સાંભળીને કહ્યું, “ગર્જના થઈ!” પણ બીજાઓએ કહ્યું, “કોઈ દેવદૂતે એમની સાથે વાત કરી!” પરંતુ ઈસુએ તેમને કહ્યું, “આ વાણી મારે માટે નહિ, પરંતુ તમારે માટે થઈ છે. હવે દુનિયાનો ન્યાય કરવાનો સમય આવી ગયો છે. હવે આ દુનિયાના શાસનર્ક્તાને ફેંકી દેવામાં આવશે. જ્યારે મને આ પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, ત્યારે હું બધા માણસોને મારી તરફ ખેંચીશ.” પોતે કેવા પ્રકારનું મરણ પામવાના હતા, તે સૂચવતાં તેમણે એમ કહ્યું. લોકો બોલી ઊઠયા, “આપણું નિયમશાસ્ત્ર કહે છે કે મસીહ સદાકાળ રહેવાના છે; તો પછી તમે એમ શી રીતે કહો છો કે માનવપુત્રને ઊંચો કરવામાં આવશે? એ માનવપુત્ર કોણ છે?” ઈસુએ જવાબ આપ્યો, “હજી થોડો સમય પ્રકાશ તમારી પાસે છે. એ પ્રકાશ છે ત્યાં સુધી ચાલતા રહો; જેથી અંધકાર તમારા પર આવી પડે નહિ. અંધકારમાં ચાલનારને પોતે ક્યાં જાય છે તેની ખબર હોતી નથી. તમારી મયે પ્રકાશ છે, ત્યાં સુધી તેના પર વિશ્વાસ કરો; જેથી તમે પ્રકાશના પુત્રો બની જાઓ.” આમ બોલીને ઈસુ ચાલતા થયા અને તેમની દૃષ્ટિથી દૂર જતા રહ્યા. ઈસુએ તેમની આંખો આગળ આવાં અદ્‍ભુત કાર્યો કર્યાં, છતાં તેમણે તેમના પર વિશ્વાસ કર્યો નહિ; જેથી ઈશ્વરના સંદેશવાહક યશાયાના શબ્દો સાચા પડયા: “પ્રભુ, અમારો સંદેશ કોણે માન્યો છે? પ્રભુએ પોતાના ભુજની શક્તિ કોની આગળ પ્રગટ કરી છે?” તેઓ વિશ્વાસ કરી શક્યા નહિ, કારણ, યશાયાએ એ પણ કહ્યું છે: “ઈશ્વરે તેમની આંખો આંધળી કરી છે, અને તેમનાં મન જડ બનાવ્યાં છે; જેથી તેમની આંખો જોશે નહિ, અને તેમનાં મનથી તેઓ સમજશે નહિ, અને તેઓ સાજા થવા માટે મારી તરફ પાછા ફરશે નહિ, એમ ઈશ્વર કહે છે.” યશાયાએ એમ કહ્યું હતું કારણ, તેને ઈસુના મહિમાનું દર્શન થયું હતું અને તે ઈસુ વિષે બોલ્યો હતો. છતાં ઘણા યહૂદી અધિકારીઓએ તેમના પર વિશ્વાસ મૂક્યો, પરંતુ ફરોશીઓ તેમનો બહિષ્કાર કરે એની બીકને લીધે તેઓ જાહેરમાં કબૂલાત કરતા નહોતા. ઈશ્વર તરફથી મળતી પ્રશંસાને બદલે તેઓ માણસોની પ્રશંસાને વધારે ચાહતા હતા. ઈસુએ પોકારીને કહ્યું, “જે કોઈ મારા પર વિશ્વાસ મૂકે છે તે ફક્ત મારા ઉપર જ નહિ, પણ મને મોકલનાર પર પણ વિશ્વાસ મૂકે છે. જે કોઈ મારાં દર્શન કરે છે, તે મને મોકલનારનાં પણ દર્શન કરે છે. દુનિયામાં હું પ્રકાશ તરીકે આવ્યો છું; જેથી મારા પર વિશ્વાસ મૂકનાર પ્રત્યેક અંધકારમાં ચાલે નહિ. જે કોઈ મારો સંદેશ સાંભળે છે, પણ તેનું પાલન કરતો નથી તેને હું સજાપાત્ર ઠરાવતો નથી, કારણ, હું દુનિયાનો ન્યાય કરવા નહિ, પરંતુ તેનો ઉદ્ધાર કરવા આવ્યો છું. જો કોઈ મારો ઇન્કાર કરે છે અને મારો સંદેશ સ્વીકારતો નથી, તો જે શબ્દો હું બોલ્યો છું તે તેને છેલ્લે દિવસે સજાપાત્ર ઠરાવશે. કારણ, હું મારી પોતાની મેળે કશું જ બોલ્યો નથી, પરંતુ મને મોકલનાર પિતાએ મારે શું બોલવું અને શું કહેવું તે સંબંધી મને આજ્ઞા આપેલી છે; અને મને ખાતરી છે કે તેમની આજ્ઞા સાર્વકાલિક જીવન લાવનારી છે, તેથી પિતાના કહ્યા પ્રમાણે જ હું બોલું છું.” પાસ્ખાપર્વની આગળનો દિવસ હતો. આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણીને આ દુનિયામાં જેમના પર ઈસુ પ્રેમ રાખતા હતા તેઓ પર તેમણે અંત સુધી પ્રેમ રાખ્યો. ઈસુ અને તેમના શિષ્યો જમતા હતા. સિમોનનો દીકરો યહૂદા ઈશ્કારિયોત ઈસુને પકડાવી દે એવી શેતાને તેના મનમાં અગાઉથી પ્રેરણા કરી હતી, ઈસુ જાણતા હતા કે પિતાએ બધો જ અધિકાર તેમના હાથમાં સોંપ્યો છે; અને પોતે ઈશ્વર પાસેથી આવ્યા છે અને ઈશ્વર પાસે પાછા જાય છે. એટલે ઈસુએ ભોજન પરથી ઊઠીને પોતાનો ઝભ્ભો ઉતાર્યો અને પોતાની કમરે રૂમાલ વીંટાળ્યો. પછી એક વાસણમાં પાણી લઈને શિષ્યોના પગ ધોયા અને કમરે વીંટાળેલા રૂમાલથી લૂછવા લાગ્યા. તે સિમોન પિતરની પાસે આવ્યા ત્યારે તે બોલી ઊઠયો, “પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?” ઈસુએ જવાબ આપ્યો, “હું જે કરું છું તે તું હમણાં સમજતો નથી, પણ હવે પછી તને સમજાશે.” પિતરે કહ્યું, “હું કદી મારા પગ તમને ધોવા દઈશ નહિ!” ઈસુએ જવાબ આપ્યો, “જો હું તારા પગ ન ધોઉં, તો મારે ને તારે કંઈ સંબંધ નથી.” સિમોન પિતરે જવાબ આપ્યો, “તો પ્રભુ, ફક્ત મારા પગ જ નહિ, મારા હાથ અને માથું પણ ધૂઓ.” ઈસુએ કહ્યું, “જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની જરૂર નથી; કારણ, તે શુદ્ધ છે. તમે શુદ્ધ છો, પરંતુ બધા નહિ.” ઈસુને ખબર હતી કે કોણ તેમને પકડાવી દેવાનો છે. તેથી જ તેમણે કહ્યું હતું, “તમે બધા શુદ્ધ નથી.” બધાના પગ ધોયા પછી પોતાનો ઝભ્ભો પહેરીને ઈસુ પોતાને સ્થાને જઈને બેઠા અને પૂછયું, “મેં તમને શું કર્યું તેની સમજ પડી? તમે મને ગુરુ અને પ્રભુ કહો છો, અને તે યોગ્ય જ છે; કારણ, હું એ જ છું. હું તમારો પ્રભુ અને ગુરુ હોવા છતાં પણ મેં તમારા પગ ધોયા છે. તો પછી તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમને નમૂનો આપ્યો છે; જેથી તમારે માટે મેં જે કર્યું, તે તમે પણ કરો. હું તમને સાચે જ કહું છું: નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી અને સંદેશ લાવનાર પોતાના મોકલનાર કરતાં મોટો નથી. હવે તમે આ સત્ય તો જાણો છો; તેથી જો તમે તેને અમલમાં મૂકો તો તમને ધન્ય છે! “હું તમારા બધાના વિષે આ કહેતો નથી; જેમને મેં પસંદ કર્યા છે, તેમને હું ઓળખું છું. પણ ‘જે મારી સાથે જમે છે તેણે મારી સામે લાત ઉગામી છે,’ એવું ધર્મશાસ્ત્ર જે કહે છે તે સાચું પડવું જ જોઈએ. એવું બને તે પહેલાં હું તમને આ જણાવું છું; જેથી તેમ બને ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે જ છું. હું તમને સાચે જ કહું છું: હું જેને મોકલું છું તેનો જે સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે; અને જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.” એમ કહ્યા પછી ઈસુને મનમાં ઊંડું દુ:ખ થયું અને તેમણે સ્પષ્ટ કહી દીધું, “હું તમને સાચે જ કહું છું: તમારામાંનો એક મને દગો દેશે.” તેમણે કોના સંબંધી એ કહ્યું તે અંગે શિષ્યો એકબીજાની તરફ જોવા લાગ્યા. શિષ્યોમાંનો એક જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા તે તેમની પડખે અડીને જ બેઠો હતો. સિમોન પિતરે તેને ઇશારો કરીને કહ્યું, “તે કોના સંબંધી વાત કરે છે તે પૂછી જો.” તેથી તે શિષ્યે ઈસુની છાતીને અઢેલીને પૂછયું, “પ્રભુ, તે કોણ છે?” ઈસુએ જવાબ આપ્યો, “જેને હું રોટલીનો ટુકડો બોળીને આપીશ તે જ.” પછી તેમણે રોટલીનો એક ટુકડો લીધો, રસામાં બોળ્યો અને સિમોનના પુત્ર યહૂદા ઈશ્કારિયોતને આપ્યો. જેવો તેણે રોટલીનો ટુકડો લીધો કે તરત તેનામાં શેતાને પ્રવેશ કર્યો. ઈસુએ તેને કહ્યું, “જે કરવાનો હોય તે જલદી કર.” ઈસુએ તેને શા માટે એવું કહ્યું એ જમવા બેઠેલામાંથી કોઈ સમજ્યો નહિ. યહૂદા પૈસાની થેલી રાખતો હોવાથી કેટલાક શિષ્યોએ વિચાર્યું કે ઈસુએ તેને પર્વને માટે કંઈક ખરીદી કરવાનું અથવા ગરીબોને કંઈક આપવાનું કહ્યું. એટલે યહૂદા રોટલીનો ટુકડો લઈને તરત જ બહાર ગયો. તે વખતે રાત હતી. યહૂદાના બહાર ગયા પછી, ઈસુએ કહ્યું, “હવે માનવપુત્રનો મહિમા પ્રગટ થાય છે અને તેના દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય છે. જો તેના દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય છે તો પછી ઈશ્વર પોતાનામાં માનવપુત્રનો મહિમા પ્રગટ કરશે, અને તે ટૂંક સમયમાં જ કરશે. મારાં બાળકો, હવે હું તમારી સાથે લાંબો સમય રહેવાનો નથી. તમે મને શોધશો; પરંતુ યહૂદી લોકોને મેં જે કહ્યું હતું તે તમને પણ કહું છું: જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શક્તા નથી. હવે એક નવીન આજ્ઞા હું તમને આપું છું: એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો સૌ જાણશે કે તમે મારા શિષ્યો છો.” સિમોન પિતરે તેમને પૂછયું, “પ્રભુ, તમે ક્યાં જાઓ છો?” ઈસુએ જવાબ આપ્યો, “હું જ્યાં જાઉં છું, ત્યાં તું હમણાં આવી શક્તો નથી. પરંતુ પાછળથી તું આવશે.” પિતરે પૂછયું, “પ્રભુ, શા માટે હું હમણાં તમારી પાછળ ન આવી શકું? હું તમારે માટે મરવા પણ તૈયાર છું!” ઈસુએ જવાબ આપ્યો, “શું તું મારે માટે મરવા તૈયાર છે! હું તને સાચે જ કહું છું: કૂકડો બોલ્યા પહેલાં તું ત્રણવાર કહીશ કે તું મને ઓળખતો નથી.” ઈસુએ તેમને કહ્યું, “તમારાં હૃદયોને શોક્તુર થવા ન દો. ઈશ્વર પર વિશ્વાસ રાખો અને મારા ઉપર પણ વિશ્વાસ રાખો. મારા પિતાના ઘરમાં ઘણા ઓરડા છે, જો એમ ન હોત, તો મેં તમને તે પણ જણાવ્યું હોત. હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જઉં છું. હું જઈશ અને જગ્યા તૈયાર કરીને પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ; જેથી જ્યાં હું છું, ત્યાં તમે પણ રહો. હું જ્યાં જઉં છું તે સ્થળે જવાનો માર્ગ તમે જાણો છો.” થોમાએ કહ્યું, “પ્રભુ, તમે ક્યાં જઈ રહ્યા છો તે અમે જાણતા નથી. તો પછી ત્યાં પહોંચવાના માર્ગ વિષે અમને કેવી રીતે ખબર હોય?” ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.” વળી તેમણે કહ્યું, “જો તમે મને ઓળખો, તો તમે મારા પિતાને પણ ઓળખશો, અને હવેથી તમે તેમને ઓળખો છો અને તમે તેમને જોયા છે.” ફિલિપે તેમને કહ્યું, “પ્રભુ, ત્યારે હવે અમને પિતાનાં દર્શન કરાવો, એટલે બસ!” ઈસુએ જવાબ આપ્યો, “ફિલિપ, ઘણા સમયથી હું તમારી સાથે છું, છતાં તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે, તેણે પિતાને જોયા છે, તો પછી તું શા માટે કહે છે કે, ‘અમને પિતાનાં દર્શન કરાવો?’ હું પિતામાં છું અને પિતા મારામાં છે એવું તું માનતો નથી?” ઈસુએ શિષ્યોને કહ્યું, “મેં જે સંદેશ તમને આપ્યો છે તે મારા પોતાના તરફથી નથી; મારામાં વાસ કરનાર પિતા પોતાનાં કાર્યો કર્યે જાય છે. મારું માનો, હું પિતામાં વસું છું અને પિતા મારામાં વસે છે. કંઈ નહિ તો મારાં કાર્યોને લીધે તો માનો! હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારા પર વિશ્વાસ મૂકે છે તે હું કરું છું તેવાં કાર્ય કરશે. તમે મારે નામે જે કંઈ માગશો તે હું કરીશ; જેથી પિતાનો મહિમા પુત્ર દ્વારા પ્રગટ થાય. મારે નામે તમે જે કંઈ માગશો, તે હું કરીશ.” “જો તમે મારા પર પ્રેમ કરતા હો, તો તમે મારી આજ્ઞાઓ પાળશો. હું પિતાને વિનંતી કરીશ; અને તે તમારી સાથે સદા વસવાને બીજો સહાયક, એટલે સત્યનો આત્મા મોકલી આપશે. દુનિયા તેને સ્વીકારી શક્તી નથી; કારણ, તે તેને જોઈ શક્તી નથી અને ઓળખતી નથી. પરંતુ તમે તેને ઓળખો છો, કારણ, તે તમારી સાથે રહે છે; અને તમારા અંતરમાં વસે છે. “હું તમને અનાથ મૂકી દઈશ નહિ. હું તમારી પાસે પાછો આવીશ. થોડી વાર પછી દુનિયા મને જોશે નહિ, પરંતુ તમે મને જોશો, અને હું જીવંત છું માટે તમે પણ જીવશો. તે દિવસે તમને ખાતરી થશે કે હું મારા પિતામાં વસું છું અને હું તમારામાં વસું છું અને તમે મારામાં વસો છો. “જે કોઈ મારી આજ્ઞાઓ સ્વીકારીને તેમનું પાલન કરે છે, તે જ મારા પર પ્રેમ કરે છે. જે કોઈ મારા પર પ્રેમ રાખે છે તેના પર મારા પિતા પણ પ્રેમ કરે છે; હું પણ તેના પર પ્રેમ કરીશ અને તેની આગળ પોતાને પ્રગટ કરીશ.” યહૂદા, જે ઈશ્કારિયોત ન હતો તેણે કહ્યું, “પ્રભુ, તમે પોતાને દુનિયા આગળ નહિ, પણ અમારી આગળ પ્રગટ કરશો, તેનું કારણ શું?” ઈસુએ તેને જવાબ આપ્યો, “જે કોઈ મારા પર પ્રેમ કરે છે તે મારા કહ્યા પ્રમાણે ચાલશે, તેના પર મારા પિતા પ્રેમ કરશે, અને હું તથા પિતા તેની પાસે આવીશું અને તેનામાં વાસ કરીશું. જે મારા પર પ્રેમ કરતો નથી, તે મારા કહ્યા પ્રમાણે કરતો નથી. જે વચન તમે સાંભળ્યાં છે, તે મારાં નથી, પરંતુ મને મોકલનાર પિતાનાં છે. “હજી તો હું તમારી સાથે છું, ત્યારે જ આ બધું મેં તમને કહ્યું છે. સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારે નામે મોકલશે, તે તમને બધું સમજાવશે, અને મેં તમને જે જે કહ્યું તેની તમને યાદ દેવડાવશે. “હું તમને શાંતિ આપીને જઉં છું; મારી પોતાની શાંતિ હું તમને આપું છું. જેમ દુનિયા તમને શાંતિ આપે છે તેમ હું તમને આપતો નથી. ચિંતા કરશો નહિ, તેમ જ હિંમત પણ હારશો નહિ. હું જઉં છું પરંતુ હું તમારી પાસે પાછો આવીશ એવું જે મેં તમને કહ્યું છે તે તમે સાંભળ્યું છે. જો તમને મારા પર પ્રેમ હોય, તો હું પિતા પાસે જઉં છું તેથી તમને આનંદ થવો જોઈએ. કારણ, પિતા મારા કરતાં મોટા છે. એ બધું થાય તે પહેલાં મેં તમને કહી દીધું છે; જેથી તે બને ત્યારે તમે તે માની શકો. હું તમારી સાથે વધુ વાત કરીશ નહિ, કારણ, આ દુનિયાનો શાસક આવી રહ્યો છે; એને મારા પર કશી સત્તા નથી. પણ હું પિતા પર પ્રેમ કરું છું, અને તેમની આજ્ઞા પ્રમાણે હું ચાલું છું એની દુનિયાને ખબર પડવી જોઈએ. ચાલો, આપણે અહીંથી જઈએ.” “હું સાચો દ્રાક્ષવેલો છું, અને મારા પિતા માળી છે. મારામાંની પ્રત્યેક ડાળી જે ફળ આપતી નથી તેને તે કાપી નાખે છે, અને પ્રત્યેક ડાળી જે ફળ આપે છે તેને વધારે ફળ આવે માટે તેની કાપકૂપ કરે છે. જે સંદેશ મેં તમને આપ્યો છે, તેના દ્વારા તમે હવે શુદ્ધ થઈ ચૂક્યા છો. તમે મારામાં વસો અને હું તમારામાં વસીશ. વેલામાં રહ્યા વગર ડાળી ફળ આપી શક્તી નથી. તે જ પ્રમાણે તમે મારામાં ન વસો તો ફળ આપી શક્તા નથી. “હું દ્રાક્ષવેલો છું, અને તમે ડાળીઓ છો. જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું, તે જ પુષ્કળ ફળ આપી શકે છે; કારણ, મારાથી અલગ રહીને તમે કશું જ કરી શક્તા નથી. જે મારામાં વસતો નથી તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે, લોકો એવી ડાળીઓ એકઠી કરીને અગ્નિમાં નાખે છે જ્યાં તે બળી જાય છે. જો તમે મારામાં વસો અને મારો સંદેશ તમારામાં વસે તો તમે ચાહો તે માગો, અને તે તમને મળશે. તમે પુષ્કળ ફળ આપો, તેમાં મારા પિતાનો મહિમા પ્રગટ થાય છે, અને એ પરથી પુરવાર થાય છે કે તમે મારા શિષ્ય છો. જેમ પિતા મારા પર પ્રેમ કરે છે તે જ પ્રમાણે હું પણ તમારા પર પ્રેમ કરું છું. તમે મારા પ્રેમમાં રહો. જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળશો, તો તમે મારા પ્રેમમાં રહેશો. “મારો આનંદ તમારામાં રહે અને તમારો આનંદ પરિપૂર્ણ થાય માટે આ વાતો મેં તમને કહી છે. મારી આજ્ઞા તો આ છે: જેમ મેં તમારા પર પ્રેમ કર્યો, તેમ તમે એકબીજા પર પ્રેમ કરો. માણસ પોતાના મિત્રને માટે પોતાનું જીવન આપી દે તે કરતાં મોટો પ્રેમ બીજો કોઈ નથી મારી આજ્ઞા પ્રમાણે વર્તો, તો જ તમે મારા મિત્રો છો. હવેથી હું તમને નોકર ગણતો નથી; કારણ, પોતાનો શેઠ શું કરે છે, તેની નોકરને ખબર હોતી નથી. એથી ઊલટું, હું તો તમને મિત્રો કહું છું; કારણ, જે કંઈ પિતા પાસેથી મેં સાંભળ્યું, તે બધું જ મેં તમને જણાવી દીધું છે. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમારી નિમણૂક કરી છે. તેથી તમે જાઓ, અને જઈને સદા ટકે તેવાં ફળ આપો. એથી તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તમને મળશે. હું તમને આ આજ્ઞા આપું છું: એકબીજા પર પ્રેમ રાખો. “દુનિયા તમારો તિરસ્કાર કરે ત્યારે યાદ રાખજો કે તેણે પ્રથમ મારો તિરસ્કાર કર્યો છે. જો તમે દુનિયાના થઈને રહો, તો દુનિયા તમને પોતાના ગણીને તમારા પર પ્રેમ રાખશે. પરંતુ આ દુનિયામાંથી મેં તમને પસંદ કર્યા છે, એટલે હવે તમે દુનિયાના રહ્યા નથી, અને એટલે જ દુનિયા તમારો તિરસ્કાર કરે છે. મેં જે કહ્યું તે યાદ રાખો: ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી.’ જો એ લોકોએ મને દુ:ખ દીધું, તો તેઓ તમને પણ દુ:ખ દેશે. જો તેઓ મારો ઉપદેશ પાળશે તો તેઓ તમારો ઉપદેશ પણ પાળશે. તમે મારા છો એને લીધે તેઓ તમારી સાથે એ પ્રમાણે વર્તશે; કારણ, મને મોકલનારને તેઓ ઓળખતા નથી. જો હું આવ્યો ન હોત અને તેમને સમજાવ્યું ન હોત, તો તેમને પાપનો દોષ ન લાગત, પણ હવે તેમની પાસે તેમના પાપ વિષે કોઈ બહાનું રહ્યું નથી. જે કોઈ મારો તિરસ્કાર કરે છે તે મારા પિતાનો પણ તિરસ્કાર કરે છે. કોઈએ કદીયે પણ ન કર્યાં હોય એવાં જે કાર્યો મેં તેમની મયે કર્યાં, તે કર્યાં ન હોત તો તેમને પાપ લાગત નહિ, પરંતુ મારાં એ કાર્યો તેમણે જોયાં હોવા છતાં તેઓ મારો અને મારા પિતાનો તિરસ્કાર કરે છે. ‘તેમણે વગર કારણે મારો તિરસ્કાર કર્યો છે,’ એવું તેમના નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે સાચું પડે, માટે આમ થવું જ જોઈએ. “પિતા તરફથી આવનાર સહાયક, એટલે સત્યનો આત્મા આવશે. હું તેને પિતા પાસેથી મોકલી આપીશ, અને તે મારે વિષે સાક્ષી પૂરશે. તમે પણ મારા વિષે સાક્ષી પૂરશો; કારણ, તમે શરૂઆતથી જ મારી સાથે છો. “તમે વિશ્વાસમાં ડગી ન જાઓ માટે મેં તમને આ બધું કહ્યું છે. તેઓ ભજનસ્થાનમાંથી તમારો બહિષ્કાર કરશે. અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનાર જાણે કે ઈશ્વરની સેવા કરતો હોય તેવું માનશે. તેમણે પિતાને કે મને ઓળખ્યો નથી તેથી જ તેઓ આ બધું કરશે. આ બધું હું તમને એ માટે કહું છું કે જ્યારે તેઓ તમને તેવું કરે ત્યારે તમને યાદ આવે કે મેં તમને તે કહ્યું જ હતું. “મેં તમને પહેલેથી આ વાતો કહી ન હતી, કારણ, હું તમારી સાથે હતો. પરંતુ હવે હું મારા મોકલનાર પાસે પાછો જઉં છું; છતાં તમે ક્યાં જાઓ છો, એવું તમારામાંથી કોઈ મને પૂછતું નથી. પણ હવે મેં તમને તે કહ્યું ત્યારે તમારાં હૃદયોમાં શોક વ્યાપી ગયો છે. પરંતુ હું તમને સાચે જ કહું છું: મારું જવું તમારા લાભમાં છે; કારણ, હું જઉં નહિ તો સહાયક તમારી પાસે આવશે નહિ. પરંતુ જો હું જઉં તો હું તેને તમારી પાસે મોકલીશ. જ્યારે તે આવશે, ત્યારે પાપ વિષે, સત્ય વિષે અને સજા વિષે દુનિયાના લોકોને ખાતરી કરી આપશે. તેઓ દોષિત છે; પાપ વિષે, કારણ, તેઓ મારા પર વિશ્વાસ મૂક્તા નથી; સત્ય વિષે, કારણ, હું પિતા પાસે જઉં છું અને તમે મને કદી જોશો નહિ; સજા વિષે, કારણ, આ દુનિયાનો શાસક સજાપાત્ર ઠરી ચૂક્યો છે. “હું તમને ઘણી વાતો કહેવા માગું છું, પણ એ બધું તમે હમણાં સહન કરી શકો તેમ નથી. પરંતુ સત્યનો આત્મા આવશે; ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કારણ, તે પોતા તરફથી બોલશે નહિ, પણ જે તે સાંભળે છે તે જ તે બોલશે અને થનાર બાબતો વિષે તમને કહેશે. તે મને મહિમાવાન કરશે, કારણ, મારે જે કહેવાનું છે તે હું તેને કહીશ અને તે તમને કહેશે. જે મારા પિતાનું છે તે બધું મારું છે; એટલે જ મેં કહ્યું કે, પવિત્ર આત્મા હું જે કહીશ તે તમને કહેશે. “થોડીવાર પછી તમે મને જોશો નહિ, પછી ફરી થોડીવારમાં તમે મને જોશો.” કેટલાક શિષ્યો અંદરોઅંદર કહેવા લાગ્યા, ‘થોડીવાર પછી તમે મને જોશો નહિ, પછી ફરી થોડીવારમાં તમે મને જોશો,’ ‘કારણ, હું પિતા પાસે જઉં છું’ એમ જે તે કહે છે, એનો અર્થ શો? આ ‘થોડીવાર’ એટલે શું? તે શું કહેવા માગે છે તે આપણને કંઈ સમજાતું નથી! ઈસુ જાણી ગયા કે તેઓ તેમને કંઈક પૂછવા માગે છે. એટલે તેમણે કહ્યું, “‘થોડીવાર પછી તમે મને જોશો નહિ, પછી ફરી થોડીવારમાં તમે મને જોશો,’ એ સંબંધી તમે અંદરોઅંદર શી ચર્ચા કરો છો? હું તમને સાચે જ કહું છું: તમે રડશો અને આંસુ સારશો, પરંતુ દુનિયા તો હરખાશે. તમે શોક્તુર થઈ જશો, પરંતુ તમારો શોક આનંદમાં ફેરવાઈ જશે. પ્રસૂતિ વખતે સ્ત્રીને વેદના થાય છે; કારણ, દુ:ખ સહન કરવાનો સમય આવી લાગ્યો છે; પણ બાળકના જન્મ પછી તે દુ:ખ ભૂલી જાય છે; કારણ, એક બાળક દુનિયામાં જન્મ્યું તેનો તેને આનંદ હોય છે. એ જ પ્રમાણે હમણાં તમે શોકમાં છો, પણ હું તમને ફરી દર્શન આપીશ, ત્યારે તમારાં હૃદયો આનંદથી ઊભરાશે. એ આનંદ તમારી પાસેથી કોઈ લઈ શકશે નહિ. “તે દિવસે તમે મને કશું નહિ પૂછો. હું તમને સાચે જ કહું છું: પિતા પાસે મારે નામે તમે જે કંઈ માંગશો, તે તમને તે આપશે. અત્યાર સુધી તમે મારે નામે કંઈ માગ્યું નથી; માગો, એટલે તમને મળશે, અને એમ તમારો આનંદ પરિપૂર્ણ થશે.” “અત્યાર સુધી મેં તમને ઉદાહરણો દ્વારા આ વાતો કહી છે. પરંતુ એવો સમય આવશે જ્યારે હું ઉદાહરણો દ્વારા વાત કરીશ નહિ, પરંતુ સ્પષ્ટ શબ્દોમાં પિતા સંબંધી વાત કરીશ. તે દિવસે તમે મારે નામે તેમની પાસે માગશો. હું એમ નથી કહેતો કે હું તમારે માટે તેમને વિનંતી કરીશ; કારણ, પિતા પોતે જ તમારા પર પ્રેમ કરે છે. તે તમારા પર પ્રેમ કરે છે, કારણ, તમે મારા પર પ્રેમ કરો છો અને હું ઈશ્વર તરફથી આવેલો છું તેમ માનો છો. હું પિતા પાસેથી આ દુનિયામાં આવ્યો છું અને હવે આ દુનિયા તજીને પિતા પાસે જઉં છું.” પછી તેમના શિષ્યોએ તેમને કહ્યું, “હવે તમે ઉદાહરણો વાપર્યા વગર સ્પષ્ટ બોલી રહ્યા છો! અમને હવે ખાતરી થઈ છે કે તમે બધું જાણો છો; અને કોઈ તમને પ્રશ્ર્નો પૂછે એવી જરૂર નથી. આ વાતને લીધે તમે ઈશ્વર તરફથી આવ્યા છો એમ અમે માનીએ છીએ.” ઈસુએ જવાબ આપ્યો, “હજી હમણાં તમને વિશ્વાસ બેઠો? એવો સમય આવે છે, અરે, આવી ચૂક્યો છે, જ્યારે તમે સૌ મને એકલો મૂકીને પોતપોતાને ઠેકાણે વિખરાઈ જશો. પરંતુ હું એકલો નથી. કારણ, પિતા મારી સાથે છે. આ વાત મેં તમને એટલા માટે કહી કે મારી સાથેના જોડાણથી તમને શાંતિ મળે. દુનિયા તમને દુ:ખ આપશે; પરંતુ હિંમત ન હારશો, દુનિયા પર મેં વિજય મેળવ્યો છે.” એ વાતો કહી રહ્યા પછી ઈસુ આકાશ તરફ દૃષ્ટિ ઉઠાવીને બોલ્યા, “હે પિતા, સમય આવી ચૂક્યો છે. તમારા પુત્રને મહિમાવંત કરો કે જેથી પુત્ર તમને મહિમાવંત કરે. તમે તેને માનવજાત પર અધિકાર આપ્યો છે, કે જેથી તમે તેને જે સોંપ્યાં છે તેમને તે સાર્વકાલિક જીવન આપે. માણસો તમને, એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે એ જ સાર્વકાલિક જીવન છે. જે કાર્ય તમે મને સોંપ્યું હતું, તે પૂરું કરીને મેં પૃથ્વી પર તમારો મહિમા પ્રગટ કર્યો છે. હે પિતા, સૃષ્ટિના સર્જન પહેલાં તમારી સાથે જે મહિમા મારી પાસે હતો, તે મહિમાથી મને મહિમાવંત કરો. “આ દુનિયામાંથી તમે મને જે માણસો સોંપ્યા હતા, તેમની સમક્ષ મેં તમને પ્રગટ કર્યા છે. તેઓ તમારા જ હતા અને તમે તેમની સોંપણી મને કરી હતી. તેમણે તમારા સંદેશનું પાલન કર્યું છે. હવે તેમને ખાતરી થઈ છે કે તમે મને જે કંઈ આપ્યું છે, તે તમારા તરફથી જ મળેલું છે. કારણ, જે સંદેશ તમે મને આપ્યો હતો તે મેં તેમને પહોંચાડયો છે. તેમણે તેનો સ્વીકાર કર્યો છે, અને તેમને ખાતરી થઈ છે કે હું તમારી પાસેથી આવ્યો છું, અને તેઓ માને છે કે તમે જ મને મોકલ્યો છે. “હું તેમને માટે પ્રાર્થના કરું છું. દુનિયા માટે નહિ, પરંતુ જેઓને તમે મને સોંપ્યા તેમને માટે પ્રાર્થના કરું છું; કારણ, તેઓ તમારા છે. જે કંઈ મારી પાસે છે તે તમારું છે અને જે તમારી પાસે છે તે મારું છે; અને તેમના દ્વારા મારો મહિમા પ્રગટ થાય છે. અને હવે હું તમારી પાસે આવું છું. હું દુનિયામાં રહેવાનો નથી, પરંતુ તેઓ દુનિયામાં છે; હે પવિત્ર પિતા, જે નામ તમે મને આપ્યું છે તે નામના સામર્થ્યથી તમે તેમનું રક્ષણ કરો; જેથી જેમ તમે અને હું એક છીએ, તેમ તેઓ પણ એક થાય. હું તેમની સાથે હતો ત્યાં સુધી તો જે નામ તમે મને આપ્યું છે તેના સામર્થ્યથી મેં તેમનું રક્ષણ કર્યું. શાસ્ત્ર સાચું પડે તેથી વિનાશને માટે નિયત થઈ ચૂકેલી વ્યક્તિ સિવાય બીજા કોઈનો નાશ થયો નથી. હવે હું તમારી પાસે આવું છું અને મારો આનંદ તેમના હૃદયમાં પૂર્ણપણે રહે તે માટે આ દુનિયા છોડતાં પહેલાં હું આ બધું કહું છું. મેં તેમને તમારો સંદેશ પહોંચાડયો છે અને દુનિયા તેમનો તિરસ્કાર કરે છે; કારણ, જેમ હું દુનિયાનો નથી તેમ તેઓ પણ આ દુનિયાના નથી. તમે તેમને દુનિયામાંથી લઈ લો એવી વિનંતી હું કરતો નથી, પરંતુ તમે દુષ્ટથી તેમનું રક્ષણ કરો તેવી વિનંતી કરું છું. જેમ હું આ દુનિયાનો નથી, તેમ તેઓ પણ આ દુનિયાના નથી. સત્ય દ્વારા તમે પોતાને માટે તેમને અલગ કરો; તમારો સંદેશ સત્ય છે. જેમ તમે મને દુનિયામાં મોકલ્યો હતો, તેમ હું તેમને દુનિયામાં મોકલું છું. અને તેમની ખાતર હું તમને મારું અર્પણ કરું છું; જેથી તેઓ પણ તમને ખરેખરી રીતે સમર્પિત થઈ જાય. “હું ફક્ત તેમને માટે જ પ્રાર્થના કરું છું એવું નથી, પરંતુ જેઓ તેમનો સંદેશ સાંભળીને મારામાં વિશ્વાસ મૂકશે, તેમને માટે પણ હું પ્રાર્થના કરું છું, કે તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તમે મારામાં વસો છો અને હું તમારામાં, તેમ તેઓ આપણામાં વસે; જેથી દુનિયા માને કે તમે મને મોકલ્યો છે. જે મહિમા તમે મને આપ્યો તે જ મેં તેમને આપ્યો છે; જેથી તેઓ એક થાય. જેમ તમે મારામાં વસો છો, તેમ હું તેઓમાં વસું; જેથી તેઓ સંપૂર્ણ રીતે એક બને; અને એમ દુનિયા માને કે તમે મને મોકલ્યો છે, અને જેમ તમે મારા પર પ્રેમ રાખો છો તેમ તેઓ પર પણ પ્રેમ રાખો છો. “હે પિતા! તમે મને આ લોકો આપ્યા છે. મારી ઇચ્છા છે કે હું જ્યાં છું ત્યાં તેઓ મારી સાથે રહે; એ માટે કે તેઓ મારો મહિમા જુએ; એ મહિમા તમે મને આપ્યો છે, કારણ, સૃષ્ટિના સર્જન પહેલાં તમે મારા પર પ્રેમ રાખતા હતા. હે ન્યાયી પિતા, દુનિયા તમને ઓળખતી નથી, પરંતુ હું તમને ઓળખું છું અને આ લોકો જાણે છે કે તમે મને મોકલ્યો છે. મેં તમને તેમની સમક્ષ પ્રગટ કર્યા છે અને હજી કરતો રહીશ. જેથી મારા પરના તમારા પ્રેમમાં તેઓ ભાગીદાર બને, અને હું પણ એમનામાં વસું.” ત્યાર પછી ઈસુ પોતાના શિષ્યો સાથે નીકળ્યા અને કિદ્રોનના નાળાને પેલે પાર ગયા. ત્યાં એક બગીચો હતો. ઈસુ તથા તેમના શિષ્યોએ તેમાં પ્રવેશ કર્યો. ધરપકડ કરાવનાર યહૂદા તે જગ્યા જાણતો હતો. કારણ, ઈસુ પોતાના શિષ્યો સાથે ત્યાં ઘણીવાર મળતા હતા, તેથી પોતાની સાથે સૈનિકોને તેમજ મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ મોકલેલા મંદિરના સંરક્ષકોને લઈને યહૂદાએ બગીચામાં પ્રવેશ કર્યો. તેઓ પાસે હથિયારો, ફાનસો તથા મશાલો હતાં. પોતા પર જે વીતવાનું છે તે બધું જાણતા હોવાથી ઈસુએ આગળ આવીને તેમને પૂછયું, “તમે કોને શોધો છો?” તેમણે જવાબ આપ્યો, “નાઝારેથના ઈસુને.” તેમણે કહ્યું, “હું તે જ છું.” ધરપકડ કરાવનાર યહૂદા પણ ત્યાં તેમની સાથે ઊભો હતો; ઈસુએ જ્યારે કહ્યું, “હું તે જ છું,” ત્યારે તેઓ પાછા હઠીને જમીન પર ગબડી પડયા. ઈસુએ તેમને ફરીથી પૂછયું, “તમે કોને શોધો છો?” તેમણે કહ્યું, “નાઝારેથના ઈસુને.” ઈસુએ તેમને કહ્યું, “મેં તમને કહ્યું તો ખરું કે, હું તે જ છું; તેથી જો તમે મને શોધતા હો, તો આ લોકોને જવા દો.” “તમે મને જે આપ્યાં, તેમનામાંથી મેં એકપણ ગુમાવ્યું નથી,” એવું જે તેમણે કહેલું તે સાચું પડે માટે તેમણે એમ કહ્યું. સિમોન પિતર પાસે તલવાર હતી; તેણે એ તલવાર તાણીને પ્રમુખ યજ્ઞકારના નોકરને મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. એ નોકરનું નામ માલ્ખસ હતું. ઈસુએ પિતરને કહ્યું, “તારી તલવાર તેના મ્યાનમાં પાછી મૂક, મારા પિતાએ મને આપેલો પ્યાલો શું હું ના પીઉં?” સૈનિકોની ટુકડીએ, તેમના અમલદારે અને યહૂદી સંરક્ષકોએ ઈસુની ધરપકડ કરી અને તેમને બાંધીને પ્રથમ આન્‍નાસ પાસે લઈ ગયા. એ તો તે વર્ષના પ્રમુખ યજ્ઞકાર ક્યાફાસનો સસરો હતો. “પ્રજાને માટે એક માણસ માર્યો જાય એ તમારા હિતમાં છે,” એવી સલાહ ક્યાફાસે જ યહૂદીઓને આપી હતી. સિમોન પિતર અને બીજો એક શિષ્ય ઈસુની પાછળ પાછળ જતા હતા. પેલો બીજો શિષ્ય પ્રમુખ યજ્ઞકારનો ઓળખીતો હોવાથી તે ઈસુની સાથે સાથે પ્રમુખ યજ્ઞકારના ઘરના ચોકમાં ગયો. પિતર દરવાજાની બહાર ઊભો રહ્યો. પેલો બીજો શિષ્ય, જે પ્રમુખ યજ્ઞકારનો ઓળખીતો હતો, તે બહાર પાછો આવ્યો અને દરવાજો સાચવનારી છોકરીને કહીને પિતરને અંદર લઈ ગયો. દરવાજે ઊભેલી એ છોકરીએ પિતરને કહ્યું, “શું તું પણ એ માણસનો શિષ્ય નથી?” પિતરે જવાબ આપ્યો, “ના, હું નથી.” ઠંડી પડતી હોવાથી નોકરો અને સંરક્ષકો તાપણું કરી, ઊભા ઊભા તાપતા હતા. પિતર પણ તેમની સાથે ઊભો રહી તાપવા લાગ્યો. પ્રમુખ યજ્ઞકારે ઈસુને તેમના શિષ્યો વિષે અને તેમના શિક્ષણ વિષે પૂછયું. ઈસુએ જવાબ આપ્યો, “હું બધાની સાથે જાહેરમાં બોલ્યો છું; મારું બધું શિક્ષણ મેં ભજનસ્થાનો અને મંદિર, જ્યાં સઘળા યહૂદીઓ એકઠા થાય છે, ત્યાં આપ્યું હતું. હું કોઈ વાત ખાનગીમાં બોલ્યો નથી. તો પછી મને શા માટે પૂછો છો? મારા શ્રોતાજનોને જ પૂછો ને! મેં શું કહ્યું હતું તે તેઓ જાણે છે.” ઈસુએ એ કહ્યું ત્યારે ત્યાં ઊભેલા એક સંરક્ષકે તેમને તમાચો મારીને કહ્યું, “પ્રમુખ યજ્ઞકાર સાથે તું આવું બોલવાની હિંમત કરે છે!” ઈસુએ તેને જવાબ આપ્યો, “જો મેં કંઈ ખોટું કહ્યું હોય, તો અહીં બધાની આગળ સાબિત કરી બતાવ. પણ મેં જે કહ્યું તે સાચું હોય તો તું મને શા માટે મારે છે?” તેથી આન્‍નાસે તેને બાંધેલી હાલતમાં જ પ્રમુખ યજ્ઞકાર ક્યાફાસ પાસે મોકલ્યો. સિમોન પિતર હજી ત્યાં તાપતો ઊભો હતો. તેથી બીજાઓએ તેને કહ્યું, “શું તું પણ એ માણસના શિષ્યોમાંનો નથી?” પણ પિતરે એનો ઇનકાર કરતાં કહ્યું, “ના, હું નથી.” પ્રમુખ યજ્ઞકારનો એક નોકર, જેનો પિતરે કાન કાપી નાખ્યો હતો તેનો જે સગો થતો હતો, તે બોલી ઊઠયો, “શું મેં તને તેની સાથે બગીચામાં જોયો ન હતો?” પિતરે ફરીથી કહ્યું, “ના” અને તરત જ કૂકડો બોલ્યો. તેઓ ઈસુને ક્યાફાસના ઘેરથી રાજભવનમાં લઈ ગયા. વહેલી સવારનો એ સમય હતો. પોતે અભડાઈ જાય નહિ અને પાસ્ખાનું ભોજન ખાઈ શકે તે માટે યહૂદીઓ રાજભવનમાં ગયા નહિ. તેથી પિલાતે તેમની પાસે બહાર આવીને પૂછયું, “તમે આ માણસ પર શો આરોપ મૂકો છો?” તેમણે જવાબ આપ્યો, “તેણે ગુનો કર્યો ન હોત, તો અમે તેને તમારી પાસે લાવ્યા ન હોત.” પિલાતે તેમને કહ્યું, “તમે પોતે તેને લઈને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે તેનો ન્યાય કરો.” યહૂદીઓએ જવાબ આપ્યો, “અમને કોઈને મૃત્યુદંડ દેવાનો અધિકાર નથી.” પોતે કેવા પ્રકારના મરણથી મરવાના છે, એ સૂચવતાં ઈસુએ જે કહ્યું હતું તે સાચું પડે માટે એ બન્યું. પિલાતે મહેલમાં જઈને ઈસુને બોલાવ્યા. તેણે તેમને પૂછયું, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ જવાબ આપ્યો, “આ પ્રશ્ર્ન તમારો પોતાનો છે કે પછી બીજાઓએ મારે વિષે તમને કંઈ કહ્યું છે?” પિલાતે જવાબ આપ્યો, “શું તું એમ ધારે છે કે હું યહૂદી છું? તારા પોતાના જ લોકોએ અને મુખ્ય યજ્ઞકારોએ તને મારા હાથમાં સોંપ્યો છે. તેં શું કર્યું છે?” ઈસુએ કહ્યું, “મારું રાજ આ દુનિયાનું નથી; જો મારું રાજ આ દુનિયાનું હોત, તો મારા અનુયાયીઓ મને યહૂદીઓના હાથમાં પડવા ન દેત, પણ લડાઈ કરત. પણ મારું રાજ અહીંનું નથી.” તેથી પિલાતે તેને પૂછયું, “તો પછી તું રાજા છે, એમ ને?” ઈસુએ જવાબ આપ્યો, “તમે કહો છો કે હું રાજા છું. સત્યની સાક્ષી આપવા માટે જ હું આ દુનિયામાં જન્મ્યો છું. જે સત્યનો છે તે મારી વાત સાંભળે છે.” પિલાતે પૂછયું, “સત્ય શું છે?” પછી પિલાત બહાર યહૂદીઓ પાસે પાછો ગયો અને તેમને કહ્યું, “એને સજાપાત્ર ઠરાવી શકાય તે માટે મને કોઈ કારણ મળતું નથી. પણ પાસ્ખાપર્વ દરમિયાન તમારો એવો રિવાજ છે કે મારે તમારે માટે એક કેદીને મુક્ત કરવો. તો શું હું તમારે માટે યહૂદીઓના રાજાને મુક્ત કરું? તમે શું ચાહો છો?” તેઓ બૂમ પાડી ઊઠયા, “ના, ના, એને તો નહિ, પણ બારાબાસને!” હવે બારાબાસ તો લૂંટારો હતો. પછી પિલાતે ઈસુને લઈ જઈને તેમને ચાબખા મરાવ્યા. સૈનિકોએ કાંટાળી ડાળીઓનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો; તેમણે તેમને જાંબલી રંગનો ઝભ્ભો પહેરાવ્યો, અને તેમની પાસે વારંવાર આવીને કહ્યું, “યહૂદીઓના રાજાનો જય હો!” અને તેમણે ઊઠીને ઈસુને તમાચા માર્યા. પિલાતે ફરીથી બહાર આવીને ટોળાને કહ્યું, “જુઓ, હું તેને અહીં તમારી પાસે બહાર લાવું છું; જેથી તમે પણ જાણો કે તેને સજાપાત્ર ઠરાવવાનું કંઈ કારણ મને મળતું નથી.” તેથી ઈસુ કાંટાનો મુગટ અને જાંબલી ઝભ્ભો પહેરેલા બહાર આવ્યા. પિલાતે લોકોને કહ્યું, “જુઓ, આ માણસ!” મુખ્ય યજ્ઞકારો અને સંરક્ષકોએ તેમને જોયા એટલે બૂમ પાડતાં કહ્યું, “તેને ક્રૂસે જડી દો! તેને ક્રૂસે જડી દો.” પિલાતે તેમને કહ્યું, “તમે પોતે જ લઈ જઈને એને ક્રૂસે જડી દો; કારણ, તેને સજાપાત્ર ઠરાવવાનું કોઈ કારણ મને મળતું નથી.” યહૂદીઓએ જવાબ આપ્યો, “અમારા એક કાયદા પ્રમાણે તેને મોતની સજા થવી જોઈએ; કારણ, તેણે પોતે ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કર્યો છે.” એ સાંભળીને પિલાત વધારે ગભરાયો. તેણે રાજભવનમાં પાછા જઈને ઈસુને પૂછયું, “તું ક્યાંનો છે?” પણ ઈસુએ જવાબ આપ્યો નહિ. પિલાતે તેને કહ્યું, “તું મારી સાથે પણ નહિ બોલે? તને ખબર નથી કે તને મુક્ત કરવાની અને તને ક્રૂસે જડવાની પણ મને સત્તા છે?” ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર તરફથી તમને મળી છે એ સિવાય તમને મારા પર બીજી કોઈ સત્તા નથી. તેથી મને તમારા હાથમાં સોંપી દેનાર વધારે દોષિત છે.” પિલાતે એ સાંભળ્યું ત્યારે તે ઈસુને છોડી મૂકવાનો માર્ગ શોધવા લાગ્યો. પણ યહૂદીઓએ વળતી બૂમ પાડી, “જો તમે તેને છોડી મૂકો તો એનો અર્થ એ થાય કે તમે રોમન સમ્રાટના મિત્ર નથી! જે કોઈ રાજા હોવાનો દાવો કરે છે તે સમ્રાટનો દુશ્મન છે.” પિલાતે એ શબ્દો સાંભળ્યા ત્યારે તે ઈસુને બહાર લઈ ગયો અને પોતે હિબ્રૂમાં ‘ગાબ્બાથા’ એટલે ‘શિલામાર્ગ’ નામની જગ્યાએ ન્યાયાસન પર બેઠો. તે તો પાસ્ખાપર્વ અગાઉનો દિવસ હતો અને બપોર થવા આવ્યા હતા. પિલાતે યહૂદીઓને કહ્યું, “જુઓ, આ તમારો રાજા!” તેમણે બૂમ પાડી, “મારો! તેને મારી નાખો! તેને ક્રૂસે જડી દો!” પિલાતે તેમને પૂછયું, “તો તમારા રાજાને ક્રૂસે જડાવું?” મુખ્ય યજ્ઞકારોએ જવાબ આપ્યો, “અમારો રાજા તો માત્ર રોમન સમ્રાટ જ છે!” પછી પિલાતે ઈસુને ક્રૂસે જડવા માટે તેમને સોંપ્યા. તેથી તેમણે ઈસુનો કબજો લીધો. ઈસુ પોતાનો ક્રૂસ ઊંચકીને બહાર ગયા, અને ‘ખોપરી’ નામની જગ્યાએ (જેને હિબ્રૂમાં ગલગથા કહે છે) ત્યાં આવ્યા. ત્યાં તેમણે તેમને ક્રૂસે જડયા; તેમણે બીજા બે માણસોને પણ ક્રૂસે જડયા: એક બાજુએ એક અને બીજી બાજુએ બીજો અને ઈસુ તેમની વચમાં. પિલાતે એક જાહેરાત લખી અને ક્રૂસ પર મુકાવી. તેણે લખ્યું હતું: “નાઝારેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.” ઘણા યહૂદીઓએ એ વાંચ્યું; કારણ, ઈસુને જ્યાં જડવામાં આવ્યા હતા તે જગ્યા શહેરથી બહુ દૂર ન હતી. એ લખાણ હિબ્રૂ, લાટિન અને ગ્રીકમાં લખવામાં આવ્યું હતું. તેથી યહૂદીઓના મુખ્ય યજ્ઞકારોએ પિલાતને કહ્યું, “‘યહૂદીઓનો રાજા,’ એમ નહિ, પણ ‘આ માણસે કહ્યું, હું યહૂદીઓનો રાજા છું,’ એમ લખવું જોઈએ.” પિલાતે કહ્યું, “મેં જે લખ્યું તે લખ્યું.” સૈનિકોએ ઈસુને ક્રૂસે જડી દીધા પછી તેમણે તેમનાં કપડાં લઈ લીધાં અને પ્રત્યેક સૈનિક માટે એક, એમ ચાર ભાગ પાડયા. તેમણે ઝભ્ભો પણ લીધો. એ તો સળંગ વણીને બનાવેલો હતો અને તેમાં એકે સાંધો નહોતો. સૈનિકોએ એકબીજાને કહ્યું, “આપણે એને ફાડવો નથી; એ કોને ભાગે આવશે તે જાણવા ચિઠ્ઠી નાખીએ.” “તેમણે મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં, અને મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખી.” એ શાસ્ત્રવચન પૂરું થાય તે માટે સૈનિકોએ એ પ્રમાણે કર્યું. ઈસુના ક્રૂસની નજીક તેમનાં મા, માસી, કલોપાસની પત્ની, મિર્યામ અને માગદાલાની મિર્યામ ઊભાં હતાં. ઈસુએ પોતાનાં માને અને જે શિષ્ય ઉપર પોતે પ્રેમ રાખતા હતા તેમને ત્યાં ઊભેલાં જોયાં અને તેમણે પોતાનાં માને કહ્યું, “બાઈ, જુઓ તમારો દીકરો!” પછી તેમણે તે શિષ્યને કહ્યું, “જો તારાં મા!” ત્યારથી તે શિષ્ય તેમને પોતાને ઘેર રહેવા લઈ ગયો. ઈસુએ જોયું કે હવે બધી બાબતો પૂર્ણ થઈ છે અને તેથી શાસ્ત્રવચન સાચું ઠરે એ માટે તે બોલ્યા, “મને તરસ લાગી છે.” ત્યાં સરકાથી ભરેલું એક વાસણ હતું; તેમણે સરક્માં વાદળી બોળીને તેને ઝૂફાની લાકડી પર મૂકીને તેમના હોઠ સુધી તે ઊંચી કરી. ઈસુએ સરકો ચાખ્યો અને કહ્યું, “સંપૂર્ણ થયું!” પછી માથું નમાવીને તેમણે પ્રાણ છોડયો. વિશ્રામવારની પહેલાંનો એ દિવસ હતો. તેથી જેમને ક્રૂસે જડવામાં આવ્યા હતા, એ માણસોના પગ ભાંગી નાખી તેમને ક્રૂસ ઉપરથી ઉતારી લેવા યહૂદીઓએ પિલાતને વિનંતી કરી. વિશ્રામવારે તેઓ ક્રૂસ પર શબ રહેવા દેવા માગતા ન હતા; કારણ, પછીનો વિશ્રામવાર ખાસ પવિત્ર દિવસ હતો. તેથી સૈનિકોએ જઈને ઈસુની સાથે ક્રૂસે જડવામાં આવેલા બન્‍ને માણસોના પગ ભાંગી નાખ્યા. પણ જ્યારે તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમણે જોયું કે તે તો મરી ગયા છે; તેથી તેમણે તેમના પગ ભાંગ્યા નહિ. પણ એક સૈનિકે ઈસુની છાતીની બાજુમાં ભાલો માર્યો, અને તરત જ લોહી તથા પાણી વહ્યાં. જેણે આ જોયું છે તે જ આ પુરાવો આપે છે, જેથી તમે વિશ્વાસ કરો. તેણે જે પુરાવો આપ્યો છે તે ખરો છે, અને પોતે સત્ય બોલે છે તે તે જાણે છે. શાસ્ત્રવચન પૂરું થાય માટે એમ બન્યું: “તેનું એકપણ હાડકું ભાંગવામાં આવશે નહિ.” અને બીજું પણ એક શાસ્ત્રવચન છે: “જેને તેમણે વીંયો તેને તેઓ જોશે.” એ પછી આરીમથાઈના યોસેફે પિલાત પાસે જઈને ઈસુનું શબ ઉતારવાની પરવાનગી માગી. યોસેફ ઈસુનો ગુપ્ત શિષ્ય હતો, કારણ, તે યહૂદી અધિકારીઓથી ગભરાતો હતો. પિલાતે તેને શબ લઈ જવાની પરવાનગી આપી, તેથી યોસેફે જઈને શબ ઉતારી લીધું. નિકોદેમસ, જે પહેલાં ઈસુને રાત્રે મળવા ગયો હતો, તે પોતાની સાથે આશરે ચોત્રીસ કિલો બોળ અને અગરનું મિશ્રણ લઈને આવ્યો. એ બન્‍નેએ ઈસુનું શબ લઈને તેને સુગંધીદાર મસાલો લગાડેલાં અળસી રેસાનાં વસ્ત્રોમાં લપેટયું; કારણ, યહૂદીઓ મૃતદેહને સાચવી રાખવા માટે એ પ્રમાણે શબ તૈયાર કરતા હતા. જ્યાં ઈસુને ક્રૂસે જડવામાં આવ્યા હતા ત્યાં એક બગીચો હતો, જેમાં વપરાયા વગરની એક નવી જ કબર હતી. યહૂદી વિશ્રામવારના અગાઉનો એ દિવસ હતો અને કબર પાસે હતી, અને તેથી તેમણે ઈસુને ત્યાં કબરમાં મૂક્યા. સપ્તાહને પ્રથમ દિવસે વહેલી સવારે હજુ તો અંધારું હતું તેવામાં માગદાલાની મિર્યામ કબરે ગઈ. તેણે જોયું કે કબરના પ્રવેશદ્વાર આગળથી પથ્થર હટાવી દેવામાં આવ્યો હતો. તેથી સિમોન પિતર અને જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા તે બીજા શિષ્યની પાસે તે દોડી ગઈ અને તેમને કહ્યું, “તેમણે પ્રભુને કબરમાંથી લઈ લીધા છે અને તેમને ક્યાં મૂક્યા છે તેની અમને ખબર નથી!” પછી પિતર અને એ બીજો શિષ્ય કબરે જવા નીકળ્યા. બન્‍ને સાથે દોડયા, પણ બીજો શિષ્ય ઝડપથી દોડીને પિતરની પહેલાં કબરે પહોંચી ગયો. તેણે નીચા નમીને અંદર નજર કરી તો અળસીરેસાનાં કપડાં પડેલાં જોયાં, પણ તે અંદર ગયો નહિ. તેની પાછળ સિમોન પિતર આવ્યો અને સીધો કબરની અંદર ગયો અને તેણે અળસીરેસાનાં કપડાં પડેલાં જોયાં. અને જે રૂમાલ ઈસુના માથા પર બાંધ્યો હતો તે અળસીરેસાનાં કપડાં સાથે પડેલો નહોતો, પણ એક બાજુએ વાળીને જુદો મૂકેલો હતો. પછી બીજો શિષ્ય જે કબર આગળ પહેલો આવ્યો હતો તે પણ અંદર ગયો. તેણે જોયું અને વિશ્વાસ કર્યો. કારણ, ઈસુએ મૂએલાંમાંથી પાછા સજીવન થવું જોઈએ એ શાસ્ત્રવચન તેઓ હજુ સુધી સમજતા ન હતા. પછી શિષ્યો પાછા ઘેર ચાલ્યા ગયા. પરંતુ મિર્યામ કબરની બહાર ઊભી ઊભી રડતી હતી. રડતાં રડતાં નીચા નમીને તે કબરમાં જોયા કરતી હતી. જ્યાં ઈસુના શબને મૂકવામાં આવ્યું હતું ત્યાં સફેદ વસ્ત્ર પહેરેલા બે દૂતને, એકને માથાની જગ્યાએ અને બીજાને પગની જગ્યાએ બેઠેલા તેણે જોયા. તેમણે તેને પૂછયું, “બહેન, તું કેમ રડે છે?” તેણે કહ્યું, “તેઓ મારા પ્રભુને લઈ ગયા છે, અને તેમને કઈ જગ્યાએ મૂક્યા છે તેની મને ખબર નથી!” આમ બોલીને તે પાછળ ફરી, તો તેણે ઈસુને ઊભેલા જોયા, પણ તે ઈસુને ઓળખી શકી નહિ. ઈસુએ તેને કહ્યું, “બહેન, તું કેમ રડે છે? તું કોને શોધે છે?” તે માળી છે એવું ધારીને તેણે કહ્યું, “સાહેબ, જો તમે તેમને લઈ ગયા હો, તો તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.” ઈસુએ તેને કહ્યું, “મિર્યામ!” મિર્યામે તેમના તરફ ફરીને હિબ્રૂમાં કહ્યું, “રાબ્બોની (અર્થાત્ ગુરુજી)!” ઈસુએ તેને કહ્યું, “મને અડકીશ નહિ, કારણ કે હજી હું પિતા પાસે પાછો ગયો નથી. મારા ભાઈઓની પાસે જઈને તેમને કહે, ‘મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે હું ઉપર જાઉં છું.” આથી માગદાલાની મિર્યામે શિષ્યોની પાસે જઇને સમાચાર આપ્યા, “મને પ્રભુનાં દર્શન થયાં છે અને તેમણે મને આ વાતો કહી છે!” સપ્તાહના એ પ્રથમ દિવસની સાંજે, યહૂદી અધિકારીઓના ભયથી શિષ્યો બંધબારણે મળ્યા હતા. તેવામાં ઈસુ આવ્યા અને તેમની વચમાં ઊભા રહ્યા. તેમણે કહ્યું, “તમને શાંતિ થાઓ.” એમ કહીને તેમણે પોતાના હાથ અને પડખું બતાવ્યાં. શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા. ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે, તે જ પ્રમાણે હું તમને મોકલું છું.” એમ કહીને તેમણે શિષ્યો પર શ્વાસ ફૂંક્યો અને કહ્યું, “તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થાઓ. જો તમે માણસોનાં પાપની ક્ષમા આપશો તો તે માફ કરવામાં આવશે, જો તમે ક્ષમા નહિ આપો તો તે કાયમ રહેશે.” ઈસુએ દર્શન આપ્યું, ત્યારે બારમાંનો એક, એટલે થોમા (અર્થાત્ ‘જોડિયો’) તેમની સાથે ન હતો. તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું, “અમને પ્રભુનાં દર્શન થયાં છે.” પણ તેણે જવાબ આપ્યો, “જ્યાં સુધી હું તેમના હાથે ખીલાઓના ઘા જોઉં નહિ અને મારી આંગળી ખીલાઓના ઘાની જગ્યાએ મૂકું નહિ તથા તેમની છાતીના પડખામાં મારો હાથ મૂકું નહિ, ત્યાં સુધી હું કદી માનવાનો જ નથી.” અઠવાડિયા પછી ફરીથી શિષ્યો તે ઘરમાં મળ્યા હતા. થોમા પણ ત્યાં હાજર હતો. બારણાં બંધ હતાં, છતાં ઈસુએ આવીને તેમની વચમાં ઊભા રહીને કહ્યું, “તમને શાંતિ થાઓ.” પછી તેમણે થોમાને કહ્યું, “તારી આંગળી અહીં મૂક અને મારા હાથ જો; તારો હાથ લંબાવીને મારા પડખામાં મૂક; શંકા ન રાખ, વિશ્વાસ કર!” થોમા બોલી ઊઠયો, “ઓ મારા પ્રભુ અને મારા ઈશ્વર!” ઈસુએ તેને કહ્યું, “તું મને જુએ છે એટલે જ વિશ્વાસ કરે છે. પણ મને જોયા વગર જેઓ મારામાં વિશ્વાસ મૂકે છે તેમને ધન્યવાદ ઘટે છે!” પોતાના શિષ્યોની હાજરીમાં ઈસુએ બીજાં ઘણાં અદ્‍ભુત કાર્યો કર્યાં, જેની નોંધ આ પુસ્તકમાં લેવામાં આવી નથી. પરંતુ ઈસુ એ જ મસીહ, ઈશ્વરનો પુત્ર છે, એવો તમે વિશ્વાસ કરો અને એ વિશ્વાસને કારણે તેમના નામ દ્વારા જીવન પામો તે માટે આ વાતો લખવામાં આવી છે. એ પછી તીબેરિયસ સરોવરને કિનારે ફરી એકવાર ઈસુએ પોતાના શિષ્યોને દર્શન આપ્યું. આ પ્રમાણે એ બન્યું: સિમોન પિતર, થોમા (અર્થાત્ ‘જોડિયો’), ગાલીલમાં આવેલા કાના ગામનો નાથાનાએલ, ઝબદીના દીકરાઓ તથા ઈસુના બીજા બે શિષ્યો એકઠા મળ્યા હતા. સિમોન પિતરે તેમને કહ્યું, “હું તો માછલાં પકડવા જાઉં છું.” તેમણે તેને કહ્યું, “અમે પણ તારી સાથે આવીશું.” તેથી તેઓ ઊપડયા અને હોડીમાં બેઠા; પણ તે રાત્રે તેઓ કંઈ જ પકડી શક્યા નહિ. વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા; પણ શિષ્યોને ખબર ન પડી કે તે ઈસુ છે. પછી ઈસુએ તેમને કહ્યું, “જુવાનો, શું તમે એક પણ માછલી પકડી નથી?” તેમણે જવાબ આપ્યો, “ના” તેમણે તેમને કહ્યું, “તમારી જાળો હોડીની જમણી બાજુએ નાખો એટલે તમને મળશે.” તેથી તેમણે પોતાની જાળો નાખી, અને એટલી બધી માછલી પકડાઈ કે તેઓ પોતાની જાળો ખેંચી શક્યા નહિ. તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેણે પિતરને કહ્યું, “એ તો પ્રભુ છે!” જ્યારે સિમોન પિતરે એ સાંભળ્યું કે એ તો પ્રભુ છે, ત્યારે પોતે ઉઘાડો હોવાથી તેણે પોતાનો ઝભ્ભો પહેરી લીધો; અને સરોવરમાં કૂદી પડયો. બીજા શિષ્યો હોડીમાં રહીને માછલીઓ ભરેલી જાળ ખેંચતા ખેંચતા કિનારે આવ્યા, કારણ, તેઓ કિનારેથી બહુ દૂર ન હતા, આશરે નેવું મીટર જેટલે અંતરે જ હતા. તેઓ કિનારે ઊતર્યા, ત્યારે તેમણે સળગતા કોલસા પર મૂકેલી માછલી અને રોટલી જોયાં. પછી ઈસુએ તેમને કહ્યું, હમણાં પકડેલી માછલીમાંથી થોડીક અહીં લાવો.” સિમોન પિતર હોડી પર ચઢયો અને મોટી મોટી એક્સો ત્રેપન માછલીઓથી ભરેલી જાળ કિનારે ખેંચી લાવ્યો. તેમાં એટલી બધી માછલી હોવા છતાં જાળ ફાટી ન હતી. ઈસુએ તેમને કહ્યું, “આવો અને નાસ્તો કરો.” તમે કોણ છો એમ પૂછવાની કોઈની હિંમત ચાલી નહિ, કારણ, તેઓ જાણતા હતા કે એ તો પ્રભુ છે. તેથી ઈસુએ આવીને રોટલી લઈને તેમને આપી અને એ જ રીતે માછલી પણ આપી. મૃત્યુમાંથી સજીવન કરાયા પછી ઈસુએ આ ત્રીજી વાર પોતાના શિષ્યોને દર્શન આપ્યું. નાસ્તો કરી રહ્યા પછી ઈસુએ પિતરને પૂછયું, “યોનાના પુત્ર સિમોન, આ બધાં કરતાં શું તું મારા પર વધારે પ્રેમ રાખે છે?” તેણે જવાબ આપ્યો, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.” ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને ચરાવ.” બીજી વાર ઈસુએ તેને પૂછયું, “યોહાનના પુત્ર સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” તેણે કહ્યું, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.” ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને સાચવ.” ત્રીજીવાર ઈસુએ પૂછયું, “યોહાનના પુત્ર સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” પિતર ઉદાસ થઈ ગયો, કારણ કે, ત્રીજીવાર ઈસુએ તેને પૂછયું, “શું તું મારા પર પ્રેમ રાખે છે?” તેણે કહ્યું, “પ્રભુ, તમને બધી ખબર છે. તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.” ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને ચરાવ. હું તને સાચે જ કહું છું: તું યુવાન હતો ત્યારે તું તારી કમર કાસીને જ્યાં જવા ચાહે ત્યાં જતો હતો, પરંતુ જ્યારે તું વૃદ્ધ થઈશ, ત્યારે તું તારા હાથ લંબાવીશ અને બીજો કોઈ તને બાંધીને તું જ્યાં જવાની ઇચ્છા નહીં રાખતો હોય ત્યાં લઈ જશે.” કયા પ્રકારના મોતને ભેટીને તે ઈશ્વરનો મહિમા કરવાનો હતો તે બતાવવા તેમણે એમ કહ્યું. પછી ઈસુએ તેને કહ્યું, “મને અનુસર.” જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા અને જમતી વખતે જે હંમેશાં ઈસુની છાતીને અઢેલીને બેસતો હતો અને જેણે પ્રભુને પૂછયું હતું, “પ્રભુ, કોણ તમારી ધરપકડ કરાવશે?” તે બીજા શિષ્યને પિતરે પાછા ફરીને જોયો. તેને જોઈને પિતરે ઈસુને પૂછયું, “પ્રભુ, એનું શું થશે?” ઈસુએ જવાબ આપ્યો, “હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું તારે મને અનુસર.” તેથી ઈસુના અનુયાયીઓમાં એવી વાત પ્રસરી કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ એવું નહોતું કહ્યું કે તે મરશે નહિ, તેમણે માત્ર એટલું જ કહ્યું, “હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું?” એ જ શિષ્ય આ બધી વાતની સાક્ષી પૂરે છે, અને તેણે જ આ બધી વાતો લખી છે. અમને ખાતરી છે કે તેની સાક્ષી સાચી છે. ઈસુએ બીજાં ઘણાં ક્મ કર્યાં. જો એ બધાં જ એક પછી એક નોંધવામાં આવે તો મને લાગે છે કે જે પુસ્તકો લખાય તેનો સમાવેશ આખી દુનિયામાં પણ થઈ શકે નહિ. થિયોફિલ, ઈસુએ પોતાના સેવાકાર્યની શરૂઆત કરી તે સમયથી તેમને આકાશમાં લઈ લેવામાં આવ્યા, ત્યાં સુધી તેમણે કરેલાં કાર્યો તથા તેમના શિક્ષણ વિષે મેં મારા પ્રથમ પુસ્તકમાં તમને લખ્યું હતું. તેમને લઈ લેવામાં આવ્યા તે પહેલાં પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા તેમણે પોતાના પસંદ કરેલા પ્રેષિતોને આદેશ આપ્યો. પોતાના મરણ બાદ પોતે જીવતા થયા છે એ અંગેના સચોટ પુરાવા તેમણે તેમને આપ્યા. તેમણે ચાલીસ દિવસ દરમિયાન તેમને ઘણીવાર દર્શન દઈને ઈશ્વરના રાજ સંબંધી જણાવ્યું. તેઓ એકત્ર થયા હતા ત્યારે તેમણે તેમને આ આજ્ઞા આપી: “યરુશાલેમથી જતા નહિ, પણ મારા પિતાએ જે ભેટ આપવાનું વરદાન આપ્યું છે, અને જે વિષે મેં તમને કહ્યું છે, તે મળે ત્યાં સુધી તેની રાહ જોજો. યોહાને પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું હતું, પણ થોડા દિવસ પછી પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરાશે.” પ્રેષિતો ઈસુ સાથે એકત્ર થયા હતા ત્યારે તેમણે તેમને પૂછયું, “પ્રભુ, તમે ઇઝરાયલના રાજ્યની પુન:સ્થાપના અત્યારે જ કરવાના છો?” ઈસુએ તેમને જવાબ આપ્યો, “સમય અને પ્રસંગ નક્કી કરવાનો અધિકાર મારા પિતાનો છે; એ ક્યારે બનશે તે જાણવાનું ક્મ તમારું નથી. પણ જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્યથી ભરપૂર થશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી બનશો.” તે એ વાતો કહી રહ્યા તે પછી તેમણે ઈસુને આકાશમાં ઊંચકી લેવાતા જોયા, અને વાદળાના આવરણને લીધે તે દેખાતા બંધ થયા. તે જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ એકીનજરે જોઈ રહ્યા હતા. એવામાં સફેદ પોશાક પહેરેલા બે પુરુષો એકાએક તેમની નજીક આવી ઊભા. તેમણે કહ્યું, “ઓ ગાલીલવાસીઓ, તમે ત્યાં ઊભા ઊભા આકાશ તરફ શા માટે તાકી રહ્યા છો? ઈસુ તમારી મયેથી આકાશમાં લઈ લેવાયા છે. એ જ ઈસુ જેમને તમે આકાશમાં જતા જોયા, તે તે જ રીતે પાછા આવશે.” પછી પ્રેષિતો ઓલિવ પર્વતથી યરુશાલેમ પાછા ગયા. એ પર્વત શહેરથી આશરે એક કિલોમીટર દૂર છે. તેઓ યરુશાલેમમાં પ્રવેશ્યા અને જ્યાં પિતર, યોહાન, યાકોબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બારથોલમી, માથ્થી, અલ્ફીનો પુત્ર યાકોબ, સિમોન ધર્માવેશી અને યાકોબનો પુત્ર યહૂદા રહેતા હતા તે ઓરડા ઉપર ગયા. ત્યાં તેઓ, ઈસુનાં મા મિર્યામ, તેમના ભાઈઓ અને બીજી સ્ત્રીઓ સમૂહપ્રાર્થના કરવા વારંવાર એકત્ર થતાં હતાં. થોડાક દિવસો પછી આશરે એક્સો વીસ વિશ્વાસીઓ એકત્ર થયા હતા. ત્યારે પિતરે ઊભા થઈને કહ્યું, “મારા ભાઈઓ, ઈસુની ધરપકડ કરનારાઓના માર્ગદર્શક બનનાર યહૂદા અંગે દાવિદ દ્વારા પવિત્ર આત્માએ જે ભવિષ્યકથન ઉચ્ચાર્યું હતું તે પરિપૂર્ણ થવાની જરૂર હતી. યહૂદા આપણી સંગતમાં હતો, કારણ, આપણા સેવાકાર્યમાં તે ભાગીદાર હતો. “પોતાના દુષ્ટ કૃત્યના બદલામાં મળેલા પૈસાથી તેણે એક ખેતર ખરીધું. તે ઊંધે માથે પટક્યો, તેનું શરીર વચ્ચેથી ફાટી ગયું અને તેનાં બધાં આંતરડાં બહાર નીકળી પડયાં, અને એમ તે મરી ગયો. યરુશાલેમના બધા રહેવાસીઓએ એ વિષે સાંભળ્યું, અને તેથી તેમણે પોતાની ભાષામાં એ ખેતરનું નામ ‘આકેલદામા’ અર્થાત્ ‘લોહીનું ખેતર’ પાડયું. કારણ, ગીતશાસ્ત્રમાં લખેલું છે: ‘તેનું નિવાસસ્થાન ઉજ્જડ પડો, તેમાં કોઈ ન રહો.’ વળી, આવું પણ લખેલું છે: ‘તેની સેવાનું સ્થાન બીજાને મળો.’ તેથી પ્રભુ ઈસુના ફરીથી સજીવન થવા અંગે કોઈકે આપણી સાથે સાક્ષી તરીકે જોડાવું જોઈએ. પ્રભુ ઈસુ આપણી સાથે હતા તે બધા સમય દરમિયાન એટલે યોહાને બાપ્તિસ્મા આપવાની શરૂઆત કરી. ત્યારથી માંડીને ઈસુ આકાશમાં લઈ લેવાયા તે દિવસ સુધી આપણી સાથે જે હતા તેમનામાંથી એ વ્યક્તિ હોવી જોઈએ.” તેથી તેમણે બે વ્યક્તિનાં નામની દરખાસ્ત કરી: બાર્નાબાસ તરીકે ઓળખાતો યોસેફ (તે યુસ્તસ પણ કહેવાતો હતો), અને માથ્થીયસ. પછી તેમણે પ્રાર્થના કરી, “પ્રભુ, તમે સર્વ માણસોનાં હૃદયો પારખો છો. યહૂદા તો પોતાના સ્થાનમાં જવા માટે પ્રેષિત તરીકેની સેવાનું સ્થાન તજીને ગયો છે. ઓ પ્રભુ, એ સેવાના સ્થાન માટે આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે બતાવો.” પછી એ બે નામ માટે તેમણે ચિઠ્ઠીઓ નાખી. માથ્થીયસનું નામ પસંદ થયું અને અગિયાર પ્રેષિતો સાથે તેની ગણના થઈ. પચાસમાના પર્વના દિવસે બધા વિશ્વાસીઓ એકત્ર થયા હતા. એકાએક, ભારે આંધીના સુસવાટા જેવો અવાજ આકાશમાંથી આવ્યો, અને તેઓ બેઠા હતા તે ઘરમાં બધે અવાજ થઈ રહ્યો. પછી તેમણે જુદી જુદી જ્યોતમાં ફૂટતી અગ્નિની જ્વાળા જેવું જોયું, અને ત્યાં દરેક વ્યક્તિ પર અલગ અલગ જ્યોત સ્થિર થઈ. તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને પવિત્ર આત્માએ પ્રત્યેકને આપેલી શક્તિ પ્રમાણે તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા. તે સમયે ત્યાં દુનિયાના દરેક દેશમાંથી યરુશાલેમ આવેલા ધાર્મિક યહૂદીઓ હતા. તેમણે એ અવાજ સાંભળ્યો એટલે એક મોટું ટોળું એકત્ર થઈ ગયું. તેઓ બધા આશ્ર્વર્યમાં પડી ગયા. કારણ, તેમાંની પ્રત્યેક વ્યક્તિએ વિશ્વાસીઓને પોતપોતાની ભાષામાં બોલતા સાંભળ્યા. તેઓ વિમાસણમાં પડી ગયા અને આશ્ર્વર્યચકિત થઈને કહેવા લાગ્યા, “આ બધું બોલનારા લોકો તો બધા ગાલીલવાસીઓ છે! તો પછી આપણે બધા તેમને આપણા પ્રદેશની ભાષામાં બોલતાં કેમ સાંભળીએ છીએ? આપણે પર્સિયા, મિડયા અને એલામના; મેસોપોટેમિયા, યહૂદિયા અને કાપા- દોકિયાના; પોંતસ અને આસિયાના; ફૂગિયા અને પામ્ફૂલિયાના, ઇજિપ્ત અને કુરેની નજીકના લિબિયાના છીએ; આપણામાંના કેટલાક રોમમાંથી આવેલા યહૂદીઓ અને યહૂદી ધર્મ સ્વીકારનાર બિનયહૂદીઓમાંના છે; આપણામાંના કેટલાક ક્રીત અને અરબસ્તાનના છે અને છતાં આપણે બધા તેમને આપણી પોતપોતાની ભાષામાં ઈશ્વરે કરેલાં મહાન કાર્યો વિષે બોલતાં સાંભળીએ છીએ.” આશ્ર્વર્ય અને ગૂંચવણમાં પડી જવાથી તેઓ બધા અરસપરસ પૂછવા લાગ્યા, “આ શું હશે?” પણ બીજા કેટલાક લોકો વિશ્વાસીઓની મશ્કરી કરતાં કહેવા લાગ્યા, “આ માણસોએ તાજો દારૂ પીધો છે.” પછી અગિયાર પ્રેષિતો સાથે ઊભા થઈને પિતરે ઊંચે અવાજે ટોળાને ઉદ્દેશીને કહ્યું, “યહૂદી ભાઈઓ અને યરુશાલેમના બધા રહેવાસીઓ, મારું સાંભળો. આ બધું શું છે તે મને સમજાવવા દો. તમે માનો છો તેમ આ માણસો કંઈ પીધેલા નથી; હજુ તો સવારના નવ જ વાગ્યા છે. એ તો સંદેશવાહક યોએલે કહ્યું હતું તે મુજબ છે: ‘ઈશ્વર કહે છે, હું અંતિમ દિવસોમાં આમ કરીશ: હું મારા આત્માથી બધા માણસોનો અભિષેક કરીશ. તમારા પુત્રો અને પુત્રીઓ ઉપદેશ કરશે. તમારા યુવાનો સંદર્શનો જોશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે. હા, એ દિવસોમાં હું મારા સેવકો અને સેવિકાઓનો મારા આત્માથી અભિષેક કરીશ, અને તેઓ ઉપદેશ કરશે.’ હું ઉપર આકાશમાં અદ્‍ભુત કાર્યો અને નીચે પૃથ્વી પર ચમત્કારો કરીશ. લોહી, અગ્નિ અને ગાઢ ધૂમાડો થશે; પ્રભુનો મહાન અને ગૌરવી દિવસ આવે તે પહેલાં સૂર્ય કાળો પડી જશે, અને ચંદ્ર લોહી જેવો લાલ થઈ જશે. અને ત્યારે, જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે, તેનો બચાવ થશે.’ “ઓ ઇઝરાયલના લોકો, સાંભળો: ઈશ્વરે નાઝારેથના ઈસુ દ્વારા તમારી મયે કરેલા ચમત્કારો, અદ્‍ભુત કાર્યો અને ચિહ્નો દ્વારા તમને સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે તેમણે ઈસુને જ પસંદ કર્યા છે અને તમે પોતે એ જાણો છો. ઈશ્વરની નિયત યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે ઈસુને તમારા હાથમાં સોંપી દેવાયા હતા; તમે તેમને દુષ્ટ માણસોને હાથે ક્રૂસે જડીને મારી નંખાવ્યા. પણ ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા. તેમણે તેમને મરણના બંધનમાંથી મુક્ત કર્યા, કારણ, મરણ તેમને જકડી રાખે એ અશક્ય હતું. દાવિદે તેમને વિષે કહ્યું હતું: ‘મેં પ્રભુને નિત્ય મારી સમક્ષ જોયા છે; તે મારે જમણે હાથે છે, તેથી હું ચલિત થવાનો નથી. આને લીધે મારું હૃદય પ્રસન્‍ન છે અને હું આનંદપૂર્વક બોલું છું. વળી, મારો દેહ ખાતરીપૂર્વક આશા રાખશે. કારણ, તમે મારા જીવને મરેલાંઓની દુનિયામાં પડયો રહેવા દેશો નહિ; તમે તમારા ભક્તના શરીરને સડી જવા દેશો નહિ; તમે મને જીવન તરફ દોરી જતા માર્ગો બતાવ્યા છે, અને તમારી હાજરી દ્વારા તમે મને આનંદથી ભરી દેશો.’ “ભાઈઓ, આપણા પૂર્વજ દાવિદ વિષે મારે તમને સ્પષ્ટ કહેવું જોઈએ. તે મૃત્યુ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો, અને આજ દિન સુધી તેની કબર અહીં આપણે ત્યાં છે. તે સંદેશવાહક હતો અને ઈશ્વરે તેને આપેલું વચન તે જાણતો હતો: ઈશ્વરે કરાર કર્યો હતો કે તે દાવિદના વંશજોમાંથી જ એકને દાવિદની માફક રાજા બનાવશે. ઈશ્વર શું કરવાના છે તે દાવિદ જોઈ શક્યો હતો અને તેથી તે આ પ્રમાણે મસીહના ફરીથી સજીવન થવા અંગે બોલ્યો હતો, ‘તેમને મરેલાંઓની દુનિયામાં પડી રહેવા દેવાયા નહિ; તેમનું શરીર સડી ગયું નહિ.’ ઈશ્વરે એ જ ઈસુને મરેલાંઓમાંથી સજીવન કર્યા છે, અને અમે બધા એ હકીક્તના સાક્ષીઓ છીએ. “ઈશ્વરની જમણી તરફ ઈસુને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના પિતાએ આપેલા વરદાન પ્રમાણે ઈસુએ તેમની પાસેથી પવિત્ર આત્મા મેળવ્યો છે; અને તે પવિત્ર આત્માથી અમારો અભિષેક કર્યો છે. અત્યારે તમે જે જુઓ તથા સાંભળો છો તે તેનું પરિણામ છે. કારણ, દાવિદ કંઈ આકાશમાં ચઢી ગયો નહોતો; એને બદલે તેણે કહ્યું, ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું, તારા શત્રુઓને તારે તાબે કરું ત્યાં સુધી તું મારી જમણી તરફ બિરાજ.’ “તેથી ઇઝરાયલના સર્વ લોકો, તમે આ વાત ખાતરીપૂર્વક જાણી લો: જેમને તમે ક્રૂસ પર ખીલા મારી જડી દીધા, એ જ ઈસુને ઈશ્વરે પ્રભુ તથા મસીહ બનાવ્યા છે!” એ સાંભળીને લોકોનાં હૃદય વીંધાઈ ગયાં, અને તેમણે પિતર તથા અન્ય પ્રેષિતોને પૂછયું, “ભાઈઓ, અમે શું કરીએ?” પિતરે તેમને કહ્યું, “તમે સૌ તમારાં પાપથી પાછા ફરો, અને ઈસુ ખ્રિસ્તને નામે બાપ્તિસ્મા લો; તેથી તમારાં પાપ માફ કરવામાં આવશે, અને તમે ઈશ્વરની ભેટ, એટલે કે, પવિત્ર આત્મા પામશો. કારણ, ઈશ્વરનું વરદાન તમારે માટે, તમારાં બાળકો માટે, અને જેઓ દૂર છે, કે જેમને આપણા ઈશ્વરપિતા પોતાની તરફ બોલાવશે તે બધાંને માટે છે.” પિતરે તેમને બીજાં ઘણાં વચનો કહીને આગ્રહભરી વિનંતી કરી, “આ દુષ્ટ લોકો પર આવી રહેલી શિક્ષામાંથી તમે પોતે બચી જાઓ!” ઘણા લોકોએ તેના સંદેશ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા; તે દિવસે સંગતમાં લગભગ ત્રણ હજાર માણસો ઉમેરાયા. તેઓ તેમનો સમય પ્રેષિતો પાસેથી શિક્ષણ મેળવવામાં, સંગતમાં ભાગ લેવામાં, પ્રભુભોજનમાં અને પ્રાર્થના કરવામાં ગાળતા. પ્રેષિતો દ્વારા ઘણા ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો થતાં અને એને લીધે સર્વ લોકોમાં ડર વ્યાપી ગયો. સર્વ વિશ્વાસીઓ સાથે રહેતા હતા અને તેમની માલમિલક્ત સહિયારી હતી. તેઓ પોતાની માલમિલક્ત વેચી દેતા અને પ્રત્યેકની જરૂરિયાત પ્રમાણે બધા વચ્ચે વહેંચી દેતા. તેઓ દરરોજ મંદિરમાં એકત્ર થતા હતા. તેઓ ઘેરઘેર પ્રેમભોજન લેતા અને આનંદથી એકબીજા મયે ખોરાક વહેંચીને ખાતા. અને ઈશ્વરની પ્રશંસા કરતા. બધા લોકો તેમના પર પ્રસન્‍ન હતા. પ્રભુ ઉદ્ધાર પામનારાઓને રોજરોજ તેમની સંગતમાં ઉમેરતા હતા. એક દિવસ પિતર તથા યોહાન બપોરે ત્રણ વાગે પ્રાર્થનાના સમયે મંદિરમાં જતા હતા. ત્યાં “સુંદર” નામના દરવાજે એક જન્મથી લંગડો માણસ બેઠો હતો. મંદિરમાં જતા લોકો પાસેથી ભીખ માગવા માટે તેને ઊંચકી લાવીને એ દરવાજે બેસાડવામાં આવતો. પિતર અને યોહાનને અંદર પ્રવેશતા જોઈને તેણે ભીખ માગી. પિતર અને યોહાને તેની સામે તાકીને જોયું, અને પિતરે કહ્યું, “અમારા તરફ જો!” તેથી કંઈક મળશે તેવી આશાએ તેણે તેમની તરફ જોયું. પિતરે તેને કહ્યું, “મારી પાસે સોનુંરૂપું તો નથી. પણ મારી પાસે જે છે તે હું તને આપીશ: નાઝારેથના ઈસુ ખ્રિસ્તને નામે હું તને કહું છું કે ચાલ.” પછી તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો. તે માણસના પગ અને ધૂંટણો તરત જ મજબૂત થઈ ગયા; તે કૂદીને તેના પગ પર ઊભો રહ્યો અને ચાલવા લાગ્યો. પછી તે તેમની સાથે ચાલતો અને કૂદતો તેમજ ઈશ્વરની પ્રશંસા કરતો મંદિરમાં ગયો. સર્વ લોકોએ તેને ચાલતો અને ઈશ્વરની પ્રશંસા કરતો જોયો. જ્યારે તેમણે તેને ઓળખ્યો કે એ તો મંદિરના “સુંદર” નામના દરવાજે બેસી રહેનાર ભિખારી છે, ત્યારે તેને જે થયું હતું તે જોઈને તેઓ આશ્ર્વર્યચકિત થઈ ગયા. એ ભિખારી પિતર અને યોહાનની સાથે હતો ત્યારે બધા લોકો આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા અને ‘શલોમોનની પરસાળ’ નામે ઓળખાતી જગ્યાએ એમની પાસે આવ્યા. લોકોને જોઈને પિતરે કહ્યું, “ઓ ઇઝરાયલના માણસો, તમે આ બાબતથી કેમ આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા છો? તમે અમારી તરફ કેમ તાકી રહ્યા છો? તમે એમ માનો છો કે અમે અમારી પોતાની શક્તિ કે સિદ્ધિથી આ માણસને ચાલતો કર્યો છે? અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વરે, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા છે. તમે તેમને મૃત્યુદંડ માટે પકાડાવી દીધા અને પિલાતે તેમને મુક્ત કરવાનો નિર્ણય કર્યા પછી પણ તમે પિલાતની હાજરીમાં તેમનો તિરસ્કાર કર્યો. તે પવિત્ર અને ભલા હતા, પણ તમે તેમનો તિરસ્કાર કર્યો અને તેમને બદલે તમે ખૂનીને મુક્ત કરવા પિલાત સમક્ષ માગણી કરી. એમ તમે જીવનદાતાને મારી નાખ્યા, પણ ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા અને અમે તે બાબતના સાક્ષી છીએ. એ ઈસુના નામને પ્રતાપે જ આ લંગડા માણસને ચાલવાની શક્તિ મળી છે. તમે જે જોઈ રહ્યા છો અને જાણો છો તે તો તેમના નામ પરના વિશ્વાસ દ્વારા જ બન્યું છે. ઈસુ પરના વિશ્વાસે જ તમ સર્વ સમક્ષ તે આ રીતે સંપૂર્ણ સાજો કરાયો છે. “હવે ભાઈઓ, હું જાણું છું કે તમે અને તમારા આગેવાનોએ એ ક્મ અજ્ઞાનતાને કારણે કર્યું હતું. ઈશ્વરે ઘણા સમય અગાઉ સદેશવાહક દ્વારા જાહેર કર્યું હતું કે મસીહે દુ:ખ સહન કરવું પડશે, અને તેમણે એ રીતે તે પરિપૂર્ણ કર્યું છે. તો પછી હવે પાપથી પાછા ફરો અને ઈશ્વર તરફ ફરો કે જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, તો પ્રભુની હાજરીમાંથી આત્મિક તાજગીના સમયો આવશે અને મસીહ તરીકે પસંદ કરવામાં આવેલ ઈસુને ઈશ્વર મોકલી આપશે. ઈશ્વરે પોતાના પવિત્ર સંદેશવાહકો દ્વારા ઘણા સમય અગાઉ જાહેર કર્યું હતું તેમ સમસ્ત સૃષ્ટિનું નવનિર્માણ કરવામાં આવે ત્યાં સુધી ઈસુએ આકાશમાં રહેવું જોઈએ. કારણ, મોશેએ આમ કહ્યું હતું: ‘પ્રભુ આપણા ઈશ્વરે મને જેમ તમારી પાસે મોકલ્યો તેમ તે એક સંદેશવાહક મોકલશે; તે તમારા પોતાના લોકમાંથી જ ઊભો થશે. તે જે કહે તે બધું તમારે સાંભળવું. જે કોઈ એ સંદેશવાહકનું નહિ સાંભળે, તે ઈશ્વરના લોકમાંથી અલગ કરાશે અને તેનો નાશ કરવામાં આવશે.’ શમુએલ અને તેના પછી થઈ ગયેલા બધા સંદેશવાહકો, જેમની પાસે સંદેશો હતો, તે બધાએ વર્તમાન દિવસો અંગે ભવિષ્યકથન કર્યું હતું. ઈશ્વરે પોતાના સંદેશવાહકો દ્વારા આપેલાં વચનો તમારે માટે છે અને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરેલા કરારના તમે ભાગીદાર છો. એટલે તેમણે અબ્રાહામને કહ્યું હતું તેમ, ‘તારા વંશજ દ્વારા હું પૃથ્વી પરના સર્વ લોકોને આશિષ આપીશ.’ અને તેથી ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરીને પ્રથમ તમારી પાસે મોકલ્યા, કે જેથી તે તમ સર્વને તમારાં દુષ્કર્મોથી ફેરવીને આશિષ આપે.” હજુ તો પિતર અને યોહાન લોકોને એ કહી રહ્યા હતા તેવામાં યજ્ઞકારો, મંદિરના સંરક્ષકોનો અધિકારી તથા સાદૂકીઓ તેમની પાસે આવ્યા. ઈસુ મરણમાંથી સજીવન થયા છે એવું શિક્ષણ એ બે પ્રેષિતો લોકોને આપતા હોવાથી તેઓ ચિડાયા, કારણ, એથી એવું પુરવાર થતું હતું કે મરેલાં સજીવન થશે. તેથી તેમણે તેમની ધરપકડ કરીને તેમને બીજા દિવસ સુધી જેલમાં નાખ્યા. કારણ, તે વખતે સાંજ પડી ગઈ હતી. પણ સંદેશો સાંભળનારાઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો; અને વિશ્વાસ કરનાર પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની થઈ. બીજે દિવસે યહૂદી અધિકારીઓ, આગેવાનો અને નિયમશાસ્ત્રના શિક્ષકો યરુશાલેમમાં એકત્ર થયા. તેમાં પ્રમુખ યજ્ઞકાર આન્‍નાસ, ક્યાફાસ, યોહાન, એલેકઝાંડર, અને જેઓ પ્રમુખ યજ્ઞકારના કુટુંબના હતા તેઓ પણ હતા. તેમણે પોતાની સમક્ષ પ્રેષિતોને રજૂ કરાવીને તેમને પૂછયું, “તમે એ કાર્ય કેવી રીતે કર્યુ? તમારી પાસે કેવું સામર્થ્ય છે અથવા તમે કોના નામનો ઉપયોગ કરો છો?” પિતરે પવિત્ર આત્માથી પ્રેરાઈને તેમને જવાબ આપ્યો, “લોકોના આગેવાનો અને વડીલો; એ અપંગ માણસ સાજો થયો તે સારા કાર્ય સંબંધી તમે અમને આજે પૂછતા હો, તો તમારે અને ઇઝરાયલના બધા લોકોએ જાણવું જોઈએ કે જેમને તમે ક્રૂસે જડી દીધા અને જેમને ઈશ્વરે મરણમાંથી સજીવન કર્યા એ નાઝારેથના ઈસુના નામના સામર્થ્યથી આ માણસને તમે તમારી સમક્ષ પૂરેપૂરો સાજો થઈને ઊભેલો જુઓ છો. ઈસુ વિષે તો ધર્મશાસ્ત્ર આમ કહે છે: ‘તમે બાંધક્મ કરનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો, તે જ મથાળાની આધારશિલા બન્યો છે.’ માત્ર તેમની મારફતે જ ઉદ્ધાર મળે છે. કારણ, જેનાથી આપણો ઉદ્ધાર થાય એવા બીજા કોઈનું નામ ઈશ્વરે આખી દુનિયામાં માણસોને આપ્યું નથી.” પિતર અને યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ અને સામાન્ય માણસો છે એ જાણીને ન્યાયસભાના સભ્યો આભા બની ગયા. પછી તેમને ખબર પડી કે તેઓ ઈસુના સાથીદારો હતા. પણ તેઓ કંઈ કરી શકે તેમ ન હતું. કારણ, પિતર અને યોહાનની સાથે તેમણે પેલા સાજા કરાયેલા માણસને ઊભેલો જોયો. તેથી તેમણે તેમને ન્યાયસભાના ખંડમાંથી કાઢી મૂક્યા અને અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. તેમણે પૂછયું, “આ માણસોનું આપણે શું કરીશું? યરુશાલેમમાં વસનાર પ્રત્યેકને ખબર છે કે તેમણે જ આ અસાધારણ ચમત્કાર કર્યો છે, અને આપણે તેનો નકાર કરી શક્તા નથી. પણ આ વાત લોકોમાં વધુ પ્રસરે નહિ માટે આપણે આ માણસોને ઈસુને નામે ઉપદેશ ન કરવા ચેતવીએ.” તેથી તેમણે તેમને અંદર બોલાવ્યા અને તાકીદ કરી કે કોઈપણ સંજોગોમાં તેમણે ઈસુના નામમાં બોલવું નહિ કે શિક્ષણ આપવું નહિ. પણ પિતરે અને યોહાને તેમને જવાબ આપ્યો, “ઈશ્વરને આધીન થવા કરતાં અમે તમને આધીન થઈએ એ ઈશ્વરની નજરમાં યોગ્ય ગણાય કે કેમ તેનો નિર્ણય તમે જાતે જ કરો. કારણ, અમે જાતે જે જોયું છે તથા સાંભળ્યું છે તે વિષે અમારાથી બોલ્યા વિના રહેવાય તેમ નથી.” ન્યાયસભાએ તેમને વધારે કડક ચેતવણી આપીને છોડી મૂક્યા. તેમને શિક્ષા કરવા માટેનું કંઈ કારણ તેમને મળ્યું નહિ. કારણ, જે થયું હતું તેને લીધે લોકો ઈશ્વરની સ્તુતિ કરતા હતા. જે માણસના સંબંધમાં સાજાપણાનો ચમત્કાર કરાયો હતો તે ચાલીસ વર્ષ કરતાં વધારે ઉંમરનો હતો. મુક્ત થયા પછી પિતર અને યોહાન તરત જ તેમની સંગતમાં પાછા ગયા અને મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોએ તેમને જે કહ્યું હતું તે જણાવ્યું. એ સાંભળીને પોતાના લોકો ને તેઓ બધા સાથે મળીને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા: “ઓ સર્વસત્તાધીશ ઈશ્વર, આકાશ, પૃથ્વી અને સમુદ્ર તથા તેમાં જે સર્વ છે તેના સર્જનહાર! અમારા પૂર્વજ અને તમારા સેવક દાવિદ દ્વારા પવિત્ર આત્માથી તમે કહ્યું હતું, ‘પ્રજાઓ ક્રોધે કેમ ભરાઈ છે; લોકો વ્યર્થ કાવતરાં કેમ ઘડે છે! પ્રભુ અને તેમના મસીહ વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થયા છે, અને શાસકો એક થઈ ગયા છે.’ કારણ, હકીક્તમાં તમારા પવિત્ર સેવક ઈસુ, જેમનો તમે મસીહ તરીકે અભિષેક કર્યો તેમની વિરુદ્ધ હેરોદ અને પોંતિયસ પિલાત આ શહેરમાં બિનયહૂદીઓ અને ઇઝરાયલીઓની સાથે ભળી ગયા. તમારા સામર્થ્ય અને તમારી ઇચ્છા પ્રમાણે જે કંઈ થવા દેવાનું તમે નક્કી કરેલું હતું તે કરવાને તેઓ એકઠા મળ્યા. હવે, ઓ પ્રભુ, તેમણે આપેલી ધમકીઓ તમે ધ્યાનમાં લો, અને અમે તમારા સેવકો, તમારો સંદેશ વધુ હિંમતથી કહી શકીએ એવું થવા દો. સાજાપણા અર્થે તમારો હાથ લાંબો કરો, અને એવું થવા દો કે તમારા પવિત્ર સેવક ઈસુને નામે અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો થાય.” તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે તેઓ મળ્યા હતા તે ઘર હાલી ઊઠયું. તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશ હિંમતથી બોલવા લાગ્યા. વિશ્વાસીઓ એક મન અને એક ચિત્તના હતા. કોઈ પોતાની માલમિલક્ત પર વ્યક્તિગત હકદાવો કરતું નહિ, પણ તેમની પાસે જે કંઈ હતું તે બધું તેઓ અંદરોઅંદર વહેંચતા. પ્રભુ ઈસુના મરણમાંથી સજીવન થવા અંગે પ્રેષિતોએ મહાન સામર્થ્યમાં સાક્ષી આપી, અને ઈશ્વરે તે સૌને પુષ્કળ આશિષ આપી. તેમનામાંથી કોઈને તંગી પડતી નહિ. જેમની પાસે જમીન કે ઘર હોય તેઓ તે વેચતા અને ઊપજેલાં નાણાં પ્રેષિતોને આપતા, અને દરેકને તેની જરૂરિયાત પ્રમાણે વહેંચી આપવામાં આવતું હતું. સાયપ્રસમાં જન્મેલો લેવી કુળનો યોસેફ, જેનું નામ પ્રેષિતોએ બાર્નાબાસ, અર્થાત્ પ્રોત્સાહનનો પુત્ર પાડયું હતું. તેણે પણ પોતાની જમીન વેચી દીધી અને તેમાંથી ઊપજેલા પૈસા લાવીને પ્રેષિતોને સોંપી દીધા. અનાન્યા નામે એક માણસ હતો. તેની પત્નીનું નામ સાફીરા હતું. તેણે પોતાની કેટલીક માલમિલક્ત વેચી નાખી, અને અમુક રકમ પોતાને માટે રાખી મૂકી; તેની પત્નીને તેની ખબર હતી. તેણે બાકીની રકમ પ્રેષિતોને સોંપી દીધી. પિતરે તેને પૂછયું, “અનાન્યા, શેતાનને તેં તારા દયનો કબજો કેમ લેવા દીધો? પવિત્ર આત્માની સમક્ષ તું જુઠ્ઠું કેમ બોલ્યો? કારણ, જમીન વેચવાથી મળેલા પૈસામાંથી અમુક રકમ તેં રાખી મૂકી છે. તેં એ વેચી તે પહેલાં તે તારી હતી અને એ વેચ્યા પછી મળેલા પૈસા પણ તારા જ હતા. તો તેં તારા મનમાં એમ કરવાનો નિર્ણય કેમ કર્યો? તું માણસો સમક્ષ નહિ, પણ ઈશ્વર સમક્ષ જુઠ્ઠું બોલ્યો છે.” એ સાંભળતાંની સાથે જ અનાન્યાએ ઢળી પડીને પ્રાણ છોડયો અને એ સાંભળીને ઘણા લોકો ભયભીત થયા. યુવાનોએ અંદર આવીને તેને કફનમાં વીંટાળ્યો અને બહાર લઈ જઈને દફનાવ્યો. લગભગ ત્રણેક કલાક પછી તેની પત્ની આવી. પણ શું બન્યું હતું તેની તેને ખબર ન હતી. પિતરે તેને પૂછયું, “તેં તથા તારા પતિએ શું આટલી જ કિંમતે જમીન વેચી હતી?” તેણે જવાબ આપ્યો, “હા, એટલી જ કિંમતે.” તેથી પિતરે તેને કહ્યું, “તમે બન્‍નેએ પ્રભુના આત્માની પરીક્ષા કરવાનો સંપ કેમ કર્યો? તારા પતિને દફનાવીને આવનાર માણસો બારણા આગળ આવી પહોંચ્યા છે; હવે તેઓ તને પણ લઈ જશે!” તે તરત જ તેના પગ આગળ ઢળી પડી અને મરણ પામી. યુવાનોએ અંદર આવીને તેને મરેલી જોઈ તેથી તેઓ તેને પણ લઈ ગયા અને તેના પતિની બાજુમાં દફનાવી. આખી મંડળી અને જેઓએ તે વિષે સાંભળ્યું તે બધાને ખૂબ જ ડર લાગ્યો. પ્રેષિતો દ્વારા લોકો મયે ચમત્કારો અને અદ્‍ભુત કૃત્યો થતાં હતાં. સર્વ વિશ્વાસીઓ શલોમોનની પરસાળમાં એકત્ર થતા હતા. જો કે લોકો તેમને માન આપતા હતા, તોપણ તેમની સંગતમાં જોડાવાને કોઈની હિંમત ચાલતી ન હતી. પ્રભુ પર વિશ્વાસ કરનારાઓની સંગતમાં વધારે અને વધારે સ્ત્રીપુરુષો ઉમેરાતાં ગયાં. પ્રેષિતોનાં કાર્યોને પરિણામે લોકો બીમાર માણસોને શેરીઓમાં ઊંચકી લાવતા અને ખાટલા કે પથારીઓ પર સૂવાડતા; જેથી પિતર ત્યાં થઈને જતો હોય, ત્યારે કંઈ નહિ તો તેનો પડછાયો એમાંના કેટલાક પર પડે. યરુશાલેમની આસપાસનાં નગરોમાંથી લોકોનાં ટોળેટોળાં પોતાના બીમાર માણસોને અને દુષ્ટાત્મા વળગેલાઓને લઈને આવતા અને તે બધાને સાજા કરવામાં આવતા. પછી પ્રમુખ યજ્ઞકાર અને તેના સર્વ સાથીદારો એટલે કે, સાદૂકી પંથના સ્થાનિક મંડળના સભ્યોને પ્રેષિતોની બહુ ઈર્ષા આવી. તેમણે પ્રેષિતોની ધરપકડ કરીને તેમને જેલમાં પૂર્યા. પણ તે રાત્રે પ્રભુના દૂતે જેલના દરવાજા ખોલી નાખ્યા અને પ્રેષિતોને બહાર લઈ જઈને કહ્યું, “જાઓ, મંદિરમાં જઈને ઊભા રહો, અને આ નવીન જીવન વિષે લોકોને જણાવો.” તેને આધીન થઈને પ્રેષિતો વહેલી સવારે મંદિરમાં જઈને શિક્ષણ આપવા લાગ્યા. પ્રમુખ યજ્ઞકાર અને તેના સાથીદારોએ ભેગા મળીને બધા યહૂદી આગેવાનોની આખી ન્યાયસભા બોલાવી. પછી તેમણે પ્રેષિતોને જેલમાંથી લાવીને પોતાની સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો. પણ અધિકારીઓ જેલમાં આવ્યા ત્યારે ત્યાં તેમને પ્રેષિતો મળ્યા નહિ. તેથી તેમણે પાછા આવીને ન્યાયસભાને ખબર આપી: “અમે જેલમાં પહોંચ્યા ત્યારે અમે જોયું કે ત્યાં તાળાં બરાબર મારેલાં હતાં. સંરક્ષકો દરવાજા પર ચોકીપહેરો ભરતા હતા. પણ અમે દરવાજા ખોલ્યા તો અંદર કોઈ નહોતું.” એ સાંભળીને મંદિરના સંરક્ષકોના અધિકારી અને મુખ્ય યજ્ઞકારો પ્રેષિતોનું શું થયું હશે તે અંગે વિમાસણમાં પડી ગયા. પછી એક માણસે અંદર આવીને કહ્યું, “અરે, તમને ખબર છે, તમે જેમને જેલમાં પૂર્યા હતા તે માણસો તો મંદિરમાં ઊભા રહીને લોકોને શીખવી રહ્યા છે!” તેથી અધિકારી સંરક્ષકો લઈને ઊપડયો અને પ્રેષિતોને પાછા લાવ્યો. પણ લોકો તેમને પથ્થરે મારશે એ બીકે તેમણે બળજબરી કરી નહિ. તેમણે પ્રેષિતોને ન્યાયસભા સમક્ષ રજૂ કર્યા. પ્રમુખ યજ્ઞકારે તેમને પ્રશ્ર્ન પૂછયો, “એ માણસને નામે શિક્ષણ નહિ આપવાની અમે તમને સખત આજ્ઞા આપી નહોતી? પણ તમે શું કર્યું? તમે તમારું શિક્ષણ આખા યરુશાલેમમાં ફેલાવ્યું છે, અને તેના ખૂન માટે તમે અમને જવાબદાર ઠરાવવા માગો છો!” પિતર અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, “અમારે તો ઈશ્વરને આધીન રહેવાનું છે, માણસોને નહિ. ઈસુને તમે ક્રૂસ પર જડીને મારી નાખ્યા તે પછી આપણા પૂર્વજોના ઈશ્વરે તેમને મરણમાંથી સજીવન કર્યા. ઈશ્વરે પોતાની જમણી તરફ તેમને આગેવાન અને ઉદ્ધારક તરીકે ઊંચા કર્યા છે. જેથી તે ઇઝરાયલીઓને પાપથી પાછા ફરવાની અને તેમનાં પાપની માફી મેળવવાની તક આપે. ઈશ્વરને આધીન થનારાઓને મળતી ઈશ્વરની ભેટ એટલે પવિત્ર આત્મા તેમ જ અમે આ વાતોના સાક્ષી છીએ.” એ સાંભળીને ન્યાયસભાના માણસો એટલા તો ક્રોધે ભરાયા કે તેમણે પ્રેષિતોને મારી નાખવાનો નિર્ધાર કર્યો. પણ તેમનામાં ગમાલીએલ નામે એક ફરોશી હતો. તે નિયમશાસ્ત્રનો શિક્ષક પણ હતો. બધા લોકો તેનું ખૂબ સન્માન કરતા હતા. તે ન્યાયસભામાં ઊભો થયો અને તેણે પ્રેષિતોને બહાર લઈ જવા આજ્ઞા કરી. પછી ન્યાયસભાને કહ્યું, “હે ઇઝરાયલના માણસો, આ માણસોને તમે જે કંઈ કરવાના હો તે વિષે સાવધ રહો. કેટલાક સમય પહેલાં થ્યુદા નામનો એક માણસ થઈ ગયો. પોતે મહાન વ્યક્તિ છે એવો દાવો તેણે કર્યો હતો. લગભગ ચારસો માણસો તેની સાથે જોડાયા હતા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને તેના અનુયાયીઓ વેરવિખેર થઈ ગયા, એટલે તેની ચળવળ ખતમ થઈ ગઈ. તે પછીથી વસતી ગણતરીના સમય દરમિયાન ગાલીલવાસી યહૂદા થઈ ગયો; તેણે પણ પોતાની તરફ એક ટોળું જમાવ્યું. તેનું પણ ખૂન થયું અને તેના અનુયાયીઓ વિખેરાઈ ગયા. તેથી હું આ કિસ્સામાં પણ તમને કહું છું કે આ માણસો વિરુદ્ધ કંઈ પગલાં ભરશો નહિ. તેમને જેમ કરવું હોય તેમ કરવા દો; કારણ, જો તેમની આ યોજના અને કાર્ય માનવયોજિત હશે, તો તે પડી ભાંગશે; પણ જો તે ઈશ્વરયોજિત હશે તો તેમને કદી હરાવી શકાશે નહિ. કદાચ, તમે ઈશ્વર વિરુદ્ધ લડનારા બનો.” ન્યાયસભાએ ગમાલીએલની સલાહ માની. તેમણે પ્રેષિતોને અંદર બોલાવ્યા, તેમને ચાબખા મરાવ્યા, અને ઉપદેશ કરતાં ઈસુનું નામ લેવું નહિ એવી આજ્ઞા કરીને છોડી મૂક્યા. ઈસુના નામને લીધે અપમાન સહન કરવા માટે ઈશ્વરે તેમને યોગ્ય ગણ્યા એવા આનંદ સાથે પ્રેષિતો ન્યાયસભામાંથી જતા રહ્યા. પછી મંદિરમાં અને લોકોનાં ઘરમાં તેમણે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષેના શુભસંદેશનું શિક્ષણ અને તેનો પ્રચાર ચાલુ રાખ્યાં. શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. કેટલાક સમય પછી ગ્રીક યહૂદીઓએ હિબ્રૂ યહૂદીઓની વિરુદ્ધ બડબડાટ કર્યો. ગ્રીક યહૂદીઓએ કહ્યું કે રોજિંદી વહેંચણીમાં અમારી વિધવાઓ તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે. તેથી બાર પ્રેષિતોએ સર્વ વિશ્વાસીઓને એકત્રિત કરીને કહ્યું, “ભોજન વ્યવસ્થા કરવા માટે અમે ઈશ્વરનાં વચનનો બોધ કરવા તરફ દુર્લક્ષ સેવીએ એ અમારે માટે યોગ્ય નથી. તેથી ભાઈઓ, તમે પવિત્ર આત્માથી અને જ્ઞાનથી ભરપૂર હોય એવા સાત સેવકો તમારામાંથી પસંદ કરો. અમે તેમને એ જવાબદારી સોંપીશું. પણ અમે જાતે તો અમારો પૂરો સમય પ્રાર્થનામાં અને ઈશ્વરના સંદેશના સેવાકાર્યમાં ગાળીશું.” પ્રેષિતોની દરખાસ્ત બધાને ગમી ગઈ. તેથી તેમણે સ્તેફન, જે વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતો તેને, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને બિનયહૂદીઓમાંથી યહૂદી બનેલા અને અંત્યોખમાંથી આવેલ નિકોલસને પસંદ કર્યા. શિષ્યોએ તેમને પ્રેષિતો સમક્ષ રજૂ કર્યા, એટલે પ્રેષિતોએ પ્રાર્થના કરીને અને તેમના પર હાથ મૂકીને તેમને સ્વીકાર્યા. પ્રભુના સંદેશનો પ્રચાર વધતો રહ્યો. યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા વધતી જ ગઈ અને ઘણી મોટી સંખ્યામાં યજ્ઞકારોએ પણ શુભસંદેશનો સ્વીકાર કર્યો. સ્તેફનને ઈશ્વરે પુષ્કળ આશિષ આપી હતી. તે સામર્થ્યથી ભરપૂર માણસ હતો. તેણે લોકો મયે મહાન ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો કર્યાં. પણ તેમાં “મુક્તજનોના ભજનસ્થાન” તરીકે ઓળખાતા ભજનસ્થાનના સભ્યો હતા; જેમાં કુરેની, એલેકઝાન્ડ્રિયા તેમજ કીલિકીયા અને આસિયામાંથી આવેલા યહૂદીઓ હતા. તેમણે સ્તેફન સાથે વાદવિવાદ કર્યો. પણ પવિત્ર આત્માએ સ્તેફનને એવું જ્ઞાન આપ્યું કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ. તેથી “અમે તેને મોશે અને ઈશ્વર વિરુદ્ધ બોલતો સાંભળ્યો છે,” એવું કહેવા તેમણે કેટલાક માણસોને લાંચ આપી. એ રીતે તેમણે લોકોને, આગેવાનોને અને નિયમશાસ્ત્રના શિક્ષકોને ઉશ્કેર્યા. તેઓ સ્તેફન તરફ ધસી ગયા અને તેને પકડીને ન્યાયસભા સમક્ષ લઈ ગયા. પછી તેઓ કેટલાક માણસોને તેની વિરુદ્ધ જુઠ્ઠું બોલવા અંદર લાવ્યા. તેમણે કહ્યું, “આ માણસ હંમેશાં આપણા પવિત્ર મંદિર વિરુદ્ધ તથા મોશેના નિયમશાસ્ત્ર વિરુદ્ધ બોલે છે. અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે નાઝારેથનો ઈસુ મંદિરને પાડી નાખશે અને મોશે પાસેથી ઊતરી આવેલા આપણા બધા રીતરિવાજોને બદલી નાખશે.” ન્યાયસભામાં બેઠેલા બધા લોકો સ્તેફન તરફ તાકી રહ્યા અને તેમણે તેનો ચહેરો દૂતના ચહેરા જેવો થયેલો જોયો. પ્રમુખ યજ્ઞકારે સ્તેફનને પૂછયું, “શું આ હકીક્ત સાચી છે?” સ્તેફને જવાબ આપ્યો, “ભાઈઓ અને ધર્મપિતૃઓ! મારું સાંભળો: આપણો પૂર્વજ અબ્રાહામ હારાનમાં રહેવા ગયો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, અને ત્યારે મહિમાવંત ઈશ્વરે તેને દર્શન દઈને કહ્યું, ‘તારું કુટુંબ તથા તારો દેશ તજીને જે દેશ હું તને બતાવું ત્યાં જા.’ તેથી ખાલદીઓનો દેશ તજીને તે હારાનમાં ગયો. પોતાના પિતાના મરણ પછી અબ્રાહામ આ દેશ કે જેમાં તમે રહો છો ત્યાં આવ્યો. એ વખતે ઈશ્વરે તે પ્રદેશનો કોઈ ભાગ અબ્રાહામને આપ્યો નહિ, જમીનનો એક ટુકડો પણ નહિ; પણ ઈશ્વરે તેને વચન આપ્યું હતું કે તે તેને એ પ્રદેશ આપશે અને તે પ્રદેશ તેનો તથા તેના પછી તેના વંશજોનો થશે. જ્યારે ઈશ્વરે અબ્રાહામને વચન આપ્યું ત્યારે તે નિ:સંતાન હતો. ઈશ્વરે તેને કહ્યું હતું: ‘તારા વંશજો પરદેશમાં રહેશે, અને ત્યાં ચારસો વર્ષ સુધી તેઓ ગુલામ તરીકે રહેશે અને તેમના પ્રત્યે ક્રૂર વર્તાવ કરવામાં આવશે. પણ તેમને ગુલામગીરીમાં રાખનાર લોકોને હું સજા કરીશ અને પછી તેઓ તે દેશમાંથી નીકળી જશે અને આ જગ્યામાં આવીને મારી આરાધના કરશે.’ પછી કરારના ચિહ્ન તરીકે ઈશ્વરે અબ્રાહામને સુન્‍નતનો વિધિ ઠરાવી આપ્યો. તેથી ઇસ્હાકના જન્મ પછી આઠમે દિવસે અબ્રાહામે તેની સુન્‍નત કરી. ઇસ્હાક યાકોબનો પિતા અને યાકોબ બારે કુળના મૂળ પૂર્વજોનો પિતા હતો. “એ પૂર્વજોએ યોસેફની અદેખાઈ કરી, અને તેને ઇજિપ્તમાં ગુલામ તરીકે વેચી દીધો, પણ ઈશ્વર તેની સાથે હતા. તેમણે તેને સર્વ સંકટોમાંથી સહીસલામત પાર ઉતાર્યો. યોસેફ ઇજિપ્તના રાજા ફેરો આગળ રજૂ થયો ત્યારે ઈશ્વરે તેને પ્રસન્‍ન વર્તણૂક તથા જ્ઞાન આપ્યાં. ફેરોએ યોસેફને તેના દેશનો તથા રાજકુટુંબનો મુખ્ય અધિકારી બનાવ્યો. તે પછી આખા ઇજિપ્ત તથા કનાનમાં દુકાળ પડયો, અને તેથી ઘણી મુસીબતો આવી પડી. આપણા પૂર્વજોને ખોરાકની ભારે તંગી વેઠવી પડી. તેથી યાકોબે જ્યારે જાણ્યું કે ઇજિપ્તમાં અનાજ છે, ત્યારે તેણે પોતાના પુત્રો એટલે આપણા પૂર્વજોને, ત્યાં તેમની પ્રથમ મુલાકાતે મોકલ્યા. બીજી મુલાકાત વખતે યોસેફે પોતાના ભાઈઓને પોતાની ઓળખ આપી. પછી ફેરોને યોસેફના કુટુંબ વિષે જાણ થઈ. તેથી યોસેફે તેના પિતા યાકોબને તેના કુટુંબસહિત ઇજિપ્તમાં આવવા સંદેશો મોકલ્યો; તેઓ સર્વ મળીને પંચોતેર હતા. પછી યાકોબ ઈજિપ્તમાં ગયો, અને ત્યાં તે તથા આપણા પૂર્વજો મરી ગયા. તેમના અવશેષો પાછળથી શખેમમાં લઈ જવાયા અને ત્યાં હામોરના પુત્રો પાસેથી કેટલીક રકમ આપીને અબ્રાહામે જે ગુફા વેચાતી લીધી હતી, તેમાં દફનાવવામાં આવ્યા. “ઈશ્વરે અબ્રાહામને આપેલું વચન પાળવાનો સમય પાસે આવ્યો ત્યારે ઇજિપ્તમાં આપણા લોકોની સંખ્યા ખૂબ જ વધી હતી. અંતે, ઇજિપ્ત પર એક બીજો રાજા રાજ કરવા લાગ્યો; તે યોસેફને ઓળખતો ન હતો. તેણે આપણા લોકો સાથે કપટ કર્યું અને આપણા પૂર્વજો પ્રત્યે ક્રૂરતા દાખવી. તેમનાં બાળકો મૃત્યુ પામે તે માટે તેણે તેમને ઘર બહાર નાખી દેવા બળજબરી કરી. બરાબર આ જ સમયે મોશેનો જન્મ થયો. તે સુંદર બાળક હતો. ત્રણ માસ સુધી તેને ઘરમાં ઉછેરવામાં આવ્યો. જ્યારે તેને ઘર બહાર મૂકી દેવામાં આવ્યો, ત્યારે ફેરોની પુત્રીએ તેને દત્તક લઈ લીધો અને તેને પોતાના પુત્રની જેમ ઉછેર્યો. તેને ઇજિપ્તના લોકોનું સર્વ જ્ઞાન શીખવવામાં આવ્યું. તે વક્તૃત્વ તથા કાર્યમાં સમર્થ થયો. “મોશે ચાલીસ વર્ષનો થયો, ત્યારે તેણે પોતાના ઇઝરાયલી ભાઈઓની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો. તેણે એક ઇજિપ્તવાસીને એક ઇઝરાયલીને મારતો જોયો; તેથી તે તેની મદદે ગયો અને પેલા ઇજિપ્તવાસીને મારી નાખીને વેર લીધું. તેણે વિચાર્યું કે આનાથી તેના પોતાના લોકો સમજશે કે તેમને મુક્ત કરવા માટે ઈશ્વર તેનો ઉપયોગ કરશે. બીજે દિવસે તેણે બે ઇઝરાયલીઓને લડતા જોઈને તેમની વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યુ, ‘અરે ભાઈ, તમે ભાઈઓ થઈને શા માટે એકબીજા સાથે લડો છો?’ પણ જે લડી રહ્યો હતો તેણે મોશેને બાજુએ ધકેલી દઈને કહ્યું, ‘અમારી પર તને કોણે આગેવાન કે ન્યાયાધીશ ઠરાવ્યો છે? તેં ગઈકાલે જેમ એક ઈજિપ્તવાસીને મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા માગે છે?’ એ સાંભળીને મોશે ઇજિપ્તમાંથી નાસી છૂટયો અને મિદ્યાનના પ્રદેશમાં જઈને રહ્યો. ત્યાં તેને બે પુત્રો થયા. “ચાલીસ વર્ષ વીત્યા પછી સિનાઈ પર્વત પાસેના રણપ્રદેશમાં બળતા વૃક્ષની જ્વાળામાં દેવદૂતે મોશેને દર્શન દીધું. એ જોઈને મોશે આભો બની ગયો, અને તેને બરાબર નિહાળવાને વૃક્ષની નજીક ગયો. પણ તેણે પ્રભુનો અવાજ સાંભળ્યો: ‘હું તારા પૂર્વજોનો ઈશ્વર, અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબનો ઈશ્વર છું.’ મોશે ડરથી ક્ંપવા લાગ્યો અને તેણે જોવાની હિંમત કરી નહિ. પ્રભુએ તેને કહ્યું, ‘તારાં ચંપલ ઉતાર, કેમકે જ્યાં તું ઊભો છે તે પવિત્ર જગ્યા છે. ઇજિપ્તમાં રહેતા મારા લોકો પર પડતું પારાવાર દુ:ખ મેં જોયું તથા સાંભળ્યું છે. મેં તેમના નિસાસા સાંભળ્યા છે, અને હું તેમને બચાવવા નીચે ઊતરી આવ્યો છું. તો ચાલ, હું હવે તને ઇજિપ્તમાં મોકલીશ.’ “ઇઝરાયલી લોકોએ તો આવું કહીને મોશેનો તિરસ્કાર કર્યો હતો: ‘અમારી ઉપર તને કોણે આગેવાન કે ન્યાયાધીશ ઠરાવ્યો છે?’ પણ બળતા વૃક્ષમાં દર્શન દેનાર દેવદૂત દ્વારા ઈશ્વરે તેને જ આગેવાન અને ઉદ્ધારક તરીકે મોકલ્યો હતો. ઇજિપ્તમાં, સૂફ (અર્થાત્ લાલ) સમુદ્રમાં અને ચાલીસ વર્ષ સુધી રણપ્રદેશમાં ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો કરીને તેણે જ ઇઝરાયલીઓને મુક્ત કર્યા હતા. મોશેએ જ ઇઝરાયલી લોકોને કહ્યું હતું: ‘ઈશ્વરે જેમ મને મોકલ્યો, તેમ તે તમારા પોતાના લોકમાંથી તમારી પાસે સંદેશવાહક મોકલશે.’ મોશે રણપ્રદેશમાં એકત્ર થયેલા ઇઝરાયલી લોકો મયે હતો; તે સિનાઈ પર્વત પર તેની સાથે બોલનાર દેવદૂતની નિકટ તેમજ આપણા પૂર્વજોની સાથે હતો; તેણે જ આપણને જણાવવા માટે ઈશ્વરનો જીવનદાયી સંદેશ મેળવ્યો. “પણ આપણા પૂર્વજોએ તેને આધીન થવાનો નકાર કર્યો; તેમણે તેની ઉપેક્ષા કરીને ઇજિપ્તમાં પાછા જવાની ઇચ્છા રાખી. તેમણે આરોનને કહ્યું, ‘અમારી આગળ ચાલવા માટે અમારે માટે કોઈક મૂર્તિ બનાવ. કારણ, ઇજિપ્તમાંથી મુક્ત કરનાર એ મોશેનું શું થયું છે તેની અમને ખબર નથી.’ તે જ વખતે તેમણે વાછરડાના આકારની મૂર્તિ બનાવી, તેને બલિદાનો અર્પ્યાં અને એ બનાવેલી મૂર્તિની ઉજવણી અર્થે મિજબાની કરી. એટલે ઈશ્વર તેમની વિરુદ્ધ થયા, અને સંદેશવાહકોનાં પુસ્તકમાં લખેલું છે તેમ, તેમણે તેમને આકાશના તારાઓની ભક્તિ કરવા માટે તજી દીધા: ‘હે ઇઝરાયલી લોકો, રણપ્રદેશમાં ચાલીસ વર્ષ સુધી પ્રાણીઓ કાપીને તેનાં બલિદાનો તમે કંઈ મને ચઢાવ્યાં હતાં? તમે તો મોલેખ દેવનો મંડપ અને તમારા દેવ રેફાનના તારાની મૂર્તિ ઊંચક્યાં. તમે ભક્તિ કરવા માટે એમની મૂર્તિઓ બનાવી. તેથી હું તમને બેબિલોનની પેલે પાર મોકલી દઈશ.’ “આપણા પૂર્વજો પાસે રણપ્રદેશમાં ઈશ્વરની હાજરી સૂચક મંડપ હતો. ઈશ્વરે મોશેને કહ્યા પ્રમાણે અને તેને બતાવવામાં આવેલા નમૂના પ્રમાણે એ મંડપ બનાવેલો હતો. પાછળથી આપણા પૂર્વજો તેમના પિતૃઓ પાસેથી મેળવેલો મંડપ ઊંચકીને યહોશુઆની સાથે ગયા, અને ઈશ્વરે જે પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી તેમના દેશમાં લઈ ગયા. દાવિદના સમય સુધી તે મંડપ ત્યાં રહ્યો. દાવિદ પર ઈશ્વરની કૃપા થઈ, અને યાકોબના ઈશ્વરને માટે નિવાસસ્થાન બાંધવા તેણે ઈશ્વરની પરવાનગી માગી. પછી શલોમોને ઈશ્વરને માટે નિવાસસ્થાન બાંધ્યું. પણ માણસોએ બાંધેલા ઘરોમાં સર્વોચ્ચ ઈશ્વર રહેતા નથી. સંદેશવાહક પણ એમ જ કહે છે, ‘પ્રભુ કહે છે, આકાશ મારું રાજયાસન છે, અને પૃથ્વી મારું પાયાસન છે. તમે મારે માટે કેવું ઘર બાંધશો? મારે માટે આરામ કરવાનું સ્થળ કયાં છે? શું આ બધી વસ્તુઓ મેં મારે હાથે જ બનાવી નથી?’ “ઓ હઠીલાઓ, ઓ નાસ્તિકો, ઈશ્વરનો સંદેશો સાંભળવામાં તમે કેવા બહેરા છો? તમે તમારા પૂર્વજોના જેવા છો; તમે પણ હંમેશાં પવિત્ર આત્માનો વિરોધ કરતા રહ્યા છો. શું કોઈ એવો સંદેશવાહક છે કે જેને તમારા પૂર્વજોએ સતાવ્યો ન હોય? ઘણા સમય પહેલાં ઈશ્વરના ન્યાયી સેવકના આગમન વિષે જાહેરાત કરનાર ઈશ્વરના સંદેશવાહકોને તેમણે મારી નાખ્યા. હવે તમે તે ઈશ્વરના ન્યાયી સેવકને ય દગો દઈને મારી નાખ્યા. તમને તો દૂતોની મારફતે ઈશ્વરનો નિયમ મળ્યો છે, છતાં તમે તેનું પાલન કર્યું નથી!” એ સાંભળીને ન્યાયસભાના સભ્યો સ્તેફન પર ક્રોધે ભરાયા અને તેની સામે ગુસ્સાથી દાંત પીસવા લાગ્યા. પણ સ્તેફને પવિત્ર આત્માથી ભરપૂર થઈને આકાશ તરફ જોયું. તેણે ઈશ્વરનું ગૌરવ જોયું અને ઈશ્વરની જમણી તરફ ઈસુને ઊભેલા જોયા. તેણે કહ્યું, “જુઓ, હું આકાશ ખુલ્લું થયેલું અને માનવપુત્રને ઈશ્વરની જમણી તરફ ઊભેલા જોઉં છું.” મોટી બૂમ પાડીને તેમણે પોતાના કાન બંધ કરી દીધા. પછી તરત જ તેઓ એકી સાથે તેની તરફ ધસ્યા. પછી તેને શહેરની બહાર ધકેલી જઈને પથ્થરે માર્યો. સાક્ષીઓએ તેમના ઝભ્ભા શાઉલ નામના એક જુવાનને સોંપ્યા હતા. તેઓ સ્તેફનને પથ્થર મારતા હતા ત્યારે તેણે પ્રભુને પોકાર કર્યો, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કરો.” તે ધૂંટણે પડયો, અને મોટે અવાજે બોલ્યો, “ઓ પ્રભુ! આ પાપની જવાબદારી તેમને શિરે મૂકશો નહિ!” એમ કહીને તે મરી ગયો. તેના ખૂનમાં શાઉલની સંમતિ હતી. એ જ દિવસથી યરુશાલેમમાંની મંડળીની આકરી સતાવણી શરૂ થઈ ગઈ. પ્રેષિતો સિવાય બધા વિશ્વાસીઓ યહૂદિયા અને સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા. કેટલાક ભાવિક માણસોએ ભારે રુદન અને શોક સાથે સ્તેફનને દફનાવ્યો. પણ શાઉલે મંડળીનો નાશ કરવા પ્રયાસ કર્યો. ઘેરઘેર ફરીને તેણે વિશ્વાસી સ્ત્રીપુરુષોને ઢસડી લાવીને જેલમાં નાખ્યાં. વિખેરાઈ ગયેલા વિશ્વાસીઓએ બધી જગ્યાઓએ જઈને શુભસંદેશનો પ્રચાર કર્યો. ફિલિપ સમરૂનના એક શહેરમાં ગયો અને ત્યાં લોકોને ખ્રિસ્ત સંબંધી ઉપદેશ કર્યો. લોકોનાં ટોળાં ફિલિપનું ખૂબ જ ધ્યનથી સાંભળતાં હતાં. બધાએ તેનું સાંભળ્યું અને તેણે કરેલા ચમત્કારો જોયા. દુષ્ટાત્માઓ ચીસ પાડતા પાડતા ઘણા લોકોમાંથી નીકળી જતા; ઘણા લકવાવાળા અને લંગડા લોકો પણ સાજા કરાતા હતા. તેથી એ શહેરમાં આનંદ આનંદ થઈ રહ્યો. એ શહેરમાં સિમોન નામે એક માણસ રહેતો હતો. તેણે કેટલાક સમયથી પોતાની જાદુવિદ્યાથી સમરૂનીઓને છક કરી દીધા હતા. તે પોતે કોઈક મહાન વ્યક્તિ હોવાનો દાવો કરતો હતો. અને બધા લોકો તેનું સાંભળતા. તેઓ કહેતા, “સિમોન તો ‘મહાશક્તિ’ તરીકે ઓળખાતા દેવનો અવતાર છે.” તેણે પોતાની જાદુવિદ્યાથી ઘણા લાંબા સમયથી લોકોને છક કરી દીધા હોવાથી તેઓ યાનપૂર્વક તેનું સાંભળતા. પણ ફિલિપ તરફથી ઈશ્વરના રાજનો શુભસંદેશ સાંભળીને સ્ત્રીપુરુષોએ ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યાં. સિમોને પણ વિશ્વાસ કર્યો, અને ફિલિપની સાથે રહ્યો. જે મહાન ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો કરવામાં આવતાં હતાં તે જોઈને તે આશ્ર્વર્યચકિત થઈ ગયો. સમરૂનના લોકોએ ઈશ્વરનો સંદેશ સ્વીકાર્યો છે એ વિષે યરુશાલેમમાં પ્રેષિતોએ સાંભળ્યું; તેથી તેમણે તેમની પાસે પિતર અને યોહાનને મોકલ્યા. તેમણે આવીને વિશ્વાસીઓને પવિત્ર આત્મા મળે તે માટે પ્રાર્થના કરી. કારણ, હજી સુધી તેમનામાંના કોઈને પવિત્ર આત્મા મળ્યો ન હતો; માત્ર ઈસુના નામમાં તેમનું બાપ્તિસ્મા થયું હતું. પછી પિતર અને યોહાને તેમના પર પોતાના હાથ મૂક્યા એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા. પ્રેષિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા પ્રાપ્ત થાય છે એ સિમોને જોયું. તેથી તે પિતર તથા યોહાનને પૈસા આપવા લાગ્યો અને કહ્યું, “મને પણ એ શક્તિ આપો, જેથી હું જેના પર હાથ મૂકું તેને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય.” પણ પિતરે જવાબ આપ્યો, “તું અને તારા પૈસા જાય જહન્‍નમમાં! ઈશ્વરની ભેટને તું પૈસાથી ખરીદવાનો વિચાર કરે છે? ઈશ્વરની દૃષ્ટિમાં તારું હૃદય ચોખ્ખું નહિ હોવાથી અમારા કાર્યમાં તારે કંઈ લાગભાગ નથી. તેથી તારો આ દુષ્ટ વિચાર તજી દે, અને પ્રાર્થના કર કે પ્રભુ તને એવા વિચારની ક્ષમા આપે. કારણ, હું જોઉં છું કે તું અદેખાઈથી ભરેલો અને પાપનો કેદી છે.” સિમોન જાદુગરે પિતર તથા યોહાનને કહ્યું, “મારે માટે પ્રાર્થના કરો કે તમે કહેલું કંઈ અનિષ્ટ મારા પર આવી પડે નહિ.” ત્યાં સાક્ષી આપ્યા પછી અને પ્રભુનો સંદેશ સંભળાવ્યા પછી પિતર અને યોહાન યરુશાલેમ પાછા આવ્યા. રસ્તે જતાં જતાં તેમણે સમરૂનનાં ઘણાં ગામોમાં શુભસંદેશનો પ્રચાર કર્યો. પ્રભુના દૂતે ફિલિપને કહ્યું, “ઊઠ, તૈયાર થઈને દક્ષિણ દિશામાં યરુશાલેમથી ગાઝા જવાના રસ્તા પર જા.” (આ રસ્તો રણમાં થઈને જાય છે.) તેથી ફિલિપ ઊઠીને ગયો. ઈથિયોપિયાની રાણી ક્ંડાકેના ખજાનાનો ઉપરી અધિકારી પોતાને ઘેર જતો હતો. તે યરુશાલેમમાં ઈશ્વરનું ભજન કરવા ગયો હતો, અને પોતાના રથમાં પાછો ફરી રહ્યો હતો. તે તેમાં બેસીને જતો હતો તે વખતે સંદેશવાહક યશાયાના પુસ્તકમાંથી તે વાંચતો હતો. પવિત્ર આત્માએ ફિલિપને કહ્યું, “જા, એ રથની સાથે દોડ.” ફિલિપ દોડવા લાગ્યો અને અધિકારીને સંદેશવાહક યશાયાના પુસ્તકમાંથી વાંચતો સાંભળીને પૂછયું, “તમે જે વાંચો છો, તે સમજો છો?” અધિકારીએ જવાબ આપ્યો, “મને કોઈ સમજાવે તે વિના હું કેવી રીતે સમજી શકું?” તેણે ફિલિપને પોતાની સાથે રથમાં બેસવા આમંત્રણ આપ્યું. આ શાસ્ત્રભાગ તે વાંચી રહ્યો હતો: “તે તો ક્તલ કરવા માટે લઈ જવામાં આવતા ઘેટા જેવો હતો; જેમ ઘેટું તેનું ઊન કાતરતી વખતે શાંત રહે છે તેના જેવો તે હતો; તે એક પણ શબ્દ બોલ્યો નહિ. તેનું અપમાન કરવામાં આવ્યું, અને તેને ન્યાય મળ્યો નહિ. તેના વંશજો અંગે કોઈ કહી શકશે નહિ. કારણ, પૃથ્વી પરના તેના જીવનનો અંત આવી ગયો.” અધિકારીએ ફિલિપને પૂછયું, “સંદેશવાહક આ બધું કોને વિષે કહે છે? પોતાને વિષે કે બીજા કોઈને વિષે?” ફિલિપે બોલવાનું શરૂ કર્યું. આ શાસ્ત્રભાગથી જ શરૂઆત કરીને તેણે તેને ઈસુ વિષેનો શુભસંદેશ જણાવ્યો. તેઓ રસ્તે ચાલ્યા જતા હતા ત્યારે તેઓ એક જગ્યાએ આવ્યા, જ્યાં પાણી હતું. અધિકારીએ કહ્યું, “અહીં પાણી છે, તો પછી હું બાપ્તિસ્મા લઉં તેમાં શો વાંધો છે?” ચફિલિપે તેને કહ્યું, “જો તમે તમારા પૂરા દયથી વિશ્વાસ કરો છો, તો તમારું બાપ્તિસ્મા કરી શકાય.” તેણે જવાબ આપ્યો, “હા, હું વિશ્વાસ કરું છું કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરપુત્ર છે.” અધિકારીએ રથ ઊભો રાખવા હુકમ કર્યો; અને ફિલિપ તથા અધિકારી બન્‍ને પાણીમાં ઊતર્યા અને ફિલિપે તેનું બાપ્તિસ્મા કર્યુ. તેઓ પાણીમાંથી બહાર આવ્યા એટલે પ્રભુનો આત્મા ફિલિપને ત્યાંથી લઈ ગયો. અધિકારીએ તેને ફરીથી જોયો નહિ, પણ તે આનંદ કરતો કરતો તેને માર્ગે આગળ વધ્યો. ફિલિપે જાણ્યું કે તેને આશ્દોદમાં લાવવામાં આવ્યો છે. તે કાઈસારિયા આવ્યો ત્યાં સુધી તે બધાં નગરોમાં શુભસંદેશનો પ્રચાર કરતો ગયો. એ સમય દરમિયાન શાઉલ પ્રભુના શિષ્યોનાં ખૂન કરવાની ક્રૂર ધમકીઓ આપતો હતો. તે પ્રમુખ યજ્ઞકાર પાસે ગયો, અને દમાસ્ક્સમાં આવેલાં યહૂદી ભજનસ્થાનો પર ઓળખપત્રો લખી આપવા તેને વિનંતી કરી, જેથી જો તેને ત્યાં ઈસુના માર્ગનો કોઈપણ અનુયાયી મળી આવે તો તે સ્ત્રીપુરુષોની ધરપકડ કરી શકે અને તેમને યરુશાલેમ લઈ આવે. દમાસ્ક્સ જતાં જતાં તે શહેરની નજીક આવ્યો ત્યારે એકાએક તેની આજુબાજુ આકાશમાંથી પ્રકાશ ચમક્યો. તે જમીન પર પડી ગયો અને તેણે અવાજ સાંભળ્યો, “શાઉલ, શાઉલ! તું મારી સતાવણી કેમ કરે છે?” તેણે પૂછયું, “પ્રભુ, તમે કોણ છો?” ત્યારે અવાજ આવ્યો, “હું ઈસુ છું, જેની તું સતાવણી કરે છે. તો હવે ઊભો થઈને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને ત્યાં જણાવવામાં આવશે.” શાઉલની સાથે મુસાફરી કરી રહેલા માણસો સ્તબ્ધ થઈ ગયા; તેમણે અવાજ તો સાંભળ્યો, પણ કોઈને જોઈ શક્યા નહિ. શાઉલ જમીન પરથી ઊભો થયો અને તેણે પોતાની આંખો ખોલી, પણ તે કંઈ જોઈ શક્યો નહિ. તેથી તેઓ તેનો હાથ પકડીને તેને દમાસ્ક્સમાં દોરી ગયા. ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ, અને એ સમય દરમિયાન તેણે કંઈ ખાધું કે પીધું નહિ. દમાસ્ક્સમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “અનાન્યા!” તેણે જવાબ આપ્યો, “પ્રભુ, હું આ રહ્યો.” “‘સીધી શેરી’માં જા, અને યહૂદાને ઘેર જઈને તાર્સસના શાઉલની મુલાકાત લે. તે પ્રાર્થના કરે છે, અને સંદર્શનમાં તેણે જોયું છે કે અનાન્યા નામનો એક માણસ આવીને તેના પર હાથ મૂકે છે અને તેથી તે ફરીથી દેખતો થાય છે.” અનાન્યાએ જવાબ આપ્યો, “પ્રભુ, ઘણા લોકોએ મને એ માણસ વિષે અને યરુશાલેમમાંના તમારા લોકો પર તેણે જે કાળો કેર વર્તાવ્યો છે તે વિષે કહ્યું છે. વળી, તમારે નામે વિનંતી કરનાર બધાની ધરપકડ કરવા માટે તે મુખ્ય યજ્ઞકારો પાસેથી સત્તા મેળવીને દમાસ્ક્સમાં આવ્યો છે.” પ્રભુએ તેને કહ્યું, “તું તારે જા, કારણ, મારી સેવા કરવા માટે અને બિનયહૂદીઓને તથા રાજાઓને તથા ઇઝરાયલી લોકોને મારું નામ પ્રગટ કરવા મેં તેને પસંદ કર્યો છે. અને મારે માટે તેણે જે સહન કરવું પડશે તે હું તેને દર્શાવીશ.” તેથી અનાન્યા ગયો અને ઘરમાં પ્રવેશીને તેણે શાઉલના માથા પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, તું અહીં આવતો હતો ત્યારે રસ્તા પર તને દર્શન આપનાર ઈસુ એટલે પ્રભુએ પોતે મને મોકલ્યો છે. તું ફરીથી દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે તેમણે મને મોકલ્યો છે.” પછી તરત જ માછલીનાં ભીંગડાંના આકારનું કંઈક શાઉલની આંખ પરથી ખરી પડયું અને તે ફરીથી દેખતો થયો. તેણે ઊઠીને બાપ્તિસ્મા લીધું; અને જ્મ્યા પછી તેનામાં શક્તિ પાછી આવી. શાઉલ કેટલાક દિવસો સુધી દમાસ્ક્સમાંના શિષ્યો સાથે રહ્યો. તે સીધો જ ભજનસ્થાનોમાં ગયો અને ઈસુ વિષે પ્રચાર કરવા લાગ્યો. તેણે કહ્યું, “તે ઈશ્વરપુત્ર છે.” તેના શ્રોતાજનોએ આશ્ર્વર્યચકિત થઈને કહ્યું, “યરુશાલેમમાં ઈસુને નામે વિનંતી કરનારાઓને મારી નાખનાર તે જ આ માણસ નથી? અને તેમને પાછા લઈ જવાના હેતુસર જ તે અહીં આવ્યો ન હતો?” પણ શાઉલનો પ્રચાર એથી પણ વિશેષ જોરદાર બન્યો, અને ઈસુ એ જ ખ્રિસ્ત છે તે અંગે તેણે આપેલા પુરાવા એવા ખાતરીદાયક હતા કે દમાસ્ક્સમાં રહેતા યહૂદીઓ તેને જવાબ આપી શક્યા નહિ. ઘણા દિવસો પસાર થયા પછી યહૂદીઓએ એકત્ર થઈને શાઉલને મારી નાખવાનું કાવતરું ઘડયું. પણ તેમની યોજનાની તેને ખબર પડી ગઈ. તેને મારી નાખવા માટે તેઓ રાતદિવસ શહેરના દરવાજાઓ પર ચોકીપહેરો રાખતા. પણ એક રાત્રે શાઉલના શિષ્યોએ તેને ટોપલામાં બેસાડીને કોટની એક બારીમાં થઈને કોટ ઉપરથી ઉતારી મૂક્યો. શાઉલ યરુશાલેમ આવ્યો અને શિષ્યોની સાથે જોડાવાનો પ્રયાસ કરવા લાગ્યો. પણ તે શિષ્ય છે એવું માનવા કોઈ તૈયાર નહોતું. બધા તેનાથી ડરતા હતા. પણ બાર્નાબાસે તેને સાથ આપ્યો અને તે તેને પ્રેષિતો પાસે લઈ ગયો. શાઉલને કેવી રીતે રસ્તે જતાં જતાં પ્રભુનાં દર્શન થયાં હતાં અને પ્રભુએ તેની સાથે વાત કરી હતી તે તેણે પ્રેષિતોને સમજાવ્યું. શાઉલે દમાસ્ક્સમાં ઈસુના નામમાં કેવો હિંમતભેર પ્રચાર કર્યો હતો તે તેમને કહી જણાવ્યું. તેથી શાઉલ તેમની સાથે રહ્યો અને આખા યરુશાલેમમાં પ્રભુના નામમાં હિંમતપૂર્વક પ્રચાર કરતો ફર્યો. ગ્રીક બોલતા યહૂદીઓની સાથે પણ તેણે ચર્ચા કરી, પણ તેમણે તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો. ભાઈઓને એ વાતની ખબર પડી જવાથી તેમણે શાઉલને કાઈસારિયા લઈ જઈ તાર્સસ મોકલી દીધો. અને એમ આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના પ્રદેશોમાંની મંડળીઓને શાંતિનો સમય મળ્યો. મંડળીના લોકો જેમ પ્રભુનો ડર રાખતા ગયા તેમ તેઓ પવિત્ર આત્માની સહાયથી સંગઠિત થતા ગયા અને સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા. પિતર બધી જગ્યાએ મુસાફરી કરતો હતો. એકવાર તે લુદામાં રહેતા સંતોની મુલાકાતે ગયો. ત્યાં તે એનિયસ નામના એક માણસને મળ્યો; તેને લકવા થયો હતો અને આઠ વર્ષથી પથારીવશ હતો. પિતરે તેને કહ્યું, “એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊઠ, તારું બિછાનું ઊંચકી લે.” એનિયસ તરત જ ઊભો થયો. લુદા અને શારોનમાં રહેતા બધા લોકોએ તેને જોયો, અને તેઓ પ્રભુ તરફ ફર્યા. જોપ્પામાં તાબીથા નામની એક વિશ્વાસી સ્ત્રી હતી (ગ્રીકમાં તેનું નામ દરક્સ અર્થાત્ હરણી છે). તે તેનો સઘળો સમય ભલું કરવામાં અને ગરીબોને મદદ કરવામાં ગાળતી. એ વખતે તે બીમાર પડી અને મરી ગઈ. તેના શબને નવડાવીને ઉપલે માળે ઓરડીમાં રાખ્યું હતું. જોપ્પા લુદાથી બહુ દૂર ન હતું, અને જ્યારે જોપ્પાના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લુદામાં છે ત્યારે તેમણે બે માણસોને તેની પાસે સંદેશો લઈ મોકલ્યા: “અમારી પાસે જલદીથી આવો.” તેથી પિતર તૈયાર થઈને તેમની સાથે ગયો. તે આવી પહોંચ્યો એટલે તેઓ તેને ઉપલે માળે ઓરડીમાં લઈ ગયા. બધી વિધવાઓ તેને ઘેરી વળી અને તે જીવતી હતી ત્યારે તેણે જે પહેરણ અને ઝભ્ભા બનાવ્યા હતા તે તેને બતાવતાં તેઓ રડવા લાગી. પિતરે બધાને ઓરડીની બહાર કાઢી મૂક્યા અને ધૂંટણે પડીને પ્રાર્થના કરી; પછી શબ તરફ ફરીને તેણે કહ્યું, “તાબીથા, ઊઠ!” તેણે પોતાની આંખો ખોલી અને પિતરને જોઈને તે બેઠી થવા લાગી. પિતરે આગળ વધીને તેને બેઠા થવામાં સહાય કરી. પછી તેણે વિશ્વાસીઓ અને વિધવાઓને બોલાવીને તેને જીવતી સોંપી. આ અંગેના સમાચાર આખા જોપ્પામાં પ્રસરી ગયા, અને ઘણા લોકોએ પ્રભુમાં વિશ્વાસ કર્યો. જોપ્પામાં સિમોન નામના એક ચમારને ત્યાં પિતર ઘણા દિવસ રહ્યો. કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ હતો. તે રોમન લશ્કરીદળની ‘ઇટાલિયન ટુકડી’નો સૂબેદાર હતો. તે ધાર્મિક માણસ હતો. તે અને તેનું આખું કુટુંબ ઈશ્વરની ભક્તિ કરતાં હતાં. તે ગરીબ યહૂદી લોકોને ઘણી મદદ કરતો, અને હમેશાં ઈશ્વરની પ્રાર્થના કરતો હતો. એકવાર બપોરે ત્રણ વાગ્યે તેને સંદર્શન થયું. તેમાં તેણે સ્પષ્ટ રીતે ઈશ્વરના દૂતને તેની પાસે આવીને “કર્નેલ્યસ!” એમ કહેતો જોયો. તે બીકમાં ને બીકમાં દૂત સામે તાકી રહ્યો અને કહ્યું, “શું છે, સાહેબ?” દૂતે કહ્યું, “ઈશ્વરે તારી પ્રાર્થનાઓ અને તારાં દાનધર્મનાં કાર્યોનો સ્વીકાર કર્યો છે, અને તને યાદ કર્યો છે. હવે માણસ મોકલીને જોપ્પાથી સિમોન પિતરને બોલાવ. દરિયાકિનારે રહેતા સિમોન ચમારને ત્યાં તે મહેમાન તરીકે ઊતર્યો છે.” પછી તેની સાથે વાત કરનાર દૂત જતો રહ્યો. કર્નેલ્યસે ઘરના બે નોકરોને અને એક સૈનિક જે ધાર્મિક માણસ અને તેનો અંગત સેવક હતો, તેમને બોલાવ્યા અને તેમને બધા બનાવો જણાવીને જોપ્પા મોકલ્યા. બીજે દિવસે તેઓ ચાલતાં ચાલતાં જોપ્પા નજીક આવી પહોંચ્યા, ત્યારે પિતર લગભગ બપોરે ઘરના ધાબા પર પ્રાર્થના કરવા માટે ગયો હતો. તે ભૂખ્યો થયો અને તેને જમવું હતું. ભોજન તૈયાર થઈ રહ્યું હતું ત્યારે તેને સંદર્શન થયું. તેણે આકાશ ખુલ્લું થયેલું અને ચાર છેડાથી લટકાવેલી ચાદર જેવું પૃથ્વી પર ઊતરતું કંઈક જોયું. તેમાં પૃથ્વી પરનાં સર્વ પ્રકારનાં ચાર પગવાળા પ્રાણીઓ, પેટે ચાલતાં પ્રાણીઓ અને આકાશમાં ઊડનારાં પક્ષીઓ હતાં. એક અવાજ સંભળાયો, “પિતર, ઊઠ, મારીને ખા.” પણ પિતરે કહ્યું, “ના પ્રભુ, એમ નહિ; દૂષિત અને અશુદ્ધ એવું કંઈ મેં કદી ખાધું નથી.” ફરી અવાજ સંભળાયો, “ઈશ્વરે જેને શુદ્ધ જાહેર કર્યું છે તેને અશુદ્ધ ગણીશ નહિ.” એવું ત્રણ વાર બન્યું; અને પછી એ વસ્તુ આકાશમાં પાછી ખેંચી લેવાઈ. જે સંદર્શન જોયું તેના અર્થ વિષે પિતર વિચારતો હતો. એવામાં કર્નેલ્યસના માણસોને સિમોનનું ઘર મળી ગયું, અને તેઓ દરવાજે ઊભા હતા. તેમણે હાંક મારીને પૂછયું, “સિમોન પિતર નામે અહીં કોઈ મહેમાન છે?” પિતર હજુ એ સંદર્શનનો અર્થ સમજવા પ્રયત્ન કરતો હતો ત્યારે પવિત્ર આત્માએ કહ્યું, “જો, ત્રણ માણસો તને શોધે છે. તેથી ઊઠ, નીચે ઊતર અને એમની સાથે જવા આનાકાની કરીશ નહિ. કારણ, મેં તેમને મોકલ્યા છે.” તેથી પિતર નીચે ઊતર્યો અને પેલા માણસોને કહ્યું, “તમે જેને શોધો છો તે હું જ છું. તમે કેમ આવ્યા છો?” તેમણે જવાબ આપ્યો, “સૂબેદાર કર્નેલ્યસે અમને મોકલ્યા છે. તે ધર્મનિષ્ઠ અને ઈશ્વરની ભક્તિ કરનાર વ્યક્તિ છે. બધા યહૂદીઓ તેને ખૂબ માન આપે છે. ઈશ્વરના એક દૂતે તમને તેને ઘેર આમંત્રણ આપવા જણાવ્યું છે કે જેથી તે તમારો સંદેશ સાંભળી શકે.” પિતરે એ માણસોને ઘરમાં બોલાવ્યા, અને ત્યાં તેમને રાતવાસો રાખ્યા. બીજે દિવસે તે તૈયાર થઈને તેમની સાથે ગયો; અને જોપ્પાના કેટલાક ભાઈઓ પણ તેની સાથે ગયા. બીજે દિવસે તે કાઈસારિયા આવી પહોંચ્યો; ત્યાં કર્નેલ્યસ પોતાનાં સગાસંબંધીઓ તથા નિકટના આમંત્રિત મિત્રો સહિત તેની રાહ જોતો હતો. પિતર ઘરમાં પ્રવેશતો હતો ત્યારે કર્નેલ્યસ તેને મળ્યો અને પગે પડીને તેણે તેને નમન કર્યું. પણ પિતરે તેને ઊભો કર્યો. તેણે કહ્યું, “ઊઠ, ઊભો થા, કારણ, હું પણ માણસ જ છું.” વાત કરતાં કરતાં પિતર કર્નેલ્યસ સાથે ઘરમાં ગયો. ઘરમાં તેણે ઘણા માણસો એકત્ર થયેલા જોયા. તેણે તેમને કહ્યું, “તમે જાણો છો કે વિધિગત રીતે યહૂદીને બિનયહૂદીની મુલાકાત લેવાની કે તેની સંગત રાખવાની છૂટ નથી. પણ ઈશ્વરે મને બતાવ્યું છે કે મારે કોઈ માણસને અશુદ્ધ કે દૂષિત ગણવો નહિ. અને તેથી તમે મને બોલાવ્યો ત્યારે મેં આવવા માટે કંઈ આનાકાની કરી નહિ. તો હવે મને કહેશો કે તમે મને કેમ બોલાવ્યો છે?” કર્નેલ્યસે કહ્યું, “ત્રણ દિવસ પહેલાં લગભગ આ જ સમયે બપોરે ત્રણ વાગ્યે હું મારા ઘરમાં પ્રાર્થના કરતો હતો. એકાએક ચળક્તાં વસ્ત્રો પહેરેલો એક માણસ મારી સમક્ષ ઊભો રહ્યો. તેણે કહ્યું, ‘કર્નેલ્યસ! ઈશ્વરે તારી પ્રાર્થનાઓ સાંભળી છે અને તારાં દાનધર્મનાં કાર્યો યાદ કર્યાં છે. સિમોન પિતર નામે માણસને બોલાવવા કોઈને જોપ્પા મોકલ. દરિયાકિનારે રહેતા સિમોન ચમારને ત્યાં તે મહેમાન તરીકે ઊતર્યો છે.’ અને તેથી મેં તમને તરત બોલાવડાવ્યા, અને તમે કૃપા કરીને આવ્યા તે સારું થયું. હવે પ્રભુએ તમને જે કહેવા આજ્ઞા કરી છે તે સાંભળવા અમે બધાં અહીં ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થયાં છીએ.” પિતરે સંબોધન શરૂ કર્યું: “હવે મને સમજ પડે છે કે ઈશ્વર સૌના પ્રત્યે સમાન ધોરણે વર્તે છે. તેમની બીક રાખનાર અને સુકૃત્ય કરનાર તેમને સ્વીકાર્ય છે, પછી ભલેને તે કોઈપણ જાતિનો કેમ ન હોય! “સૌના પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્તની મારફતે શાંતિનો શુભસંદેશ જાહેર કરીને પોતાના ઇઝરાયલી લોકોને ઈશ્વરે જે સંદેશો આપ્યો તેની તમને ખબર છે. યોહાને બાપ્તિસ્માનો પ્રચાર કર્યો ત્યાર પછી ગાલીલથી શરૂ કરીને આખા ઇઝરાયલ દેશમાં જે મહાન બનાવ બન્યો તે તમે જાણો છો. નાઝારેથના ઈસુ, જેમનો ઈશ્વરે પવિત્ર આત્મા અને સામર્થ્યથી અભિષેક કર્યો તેમને વિષે પણ તમે જાણો છો. તેમણે સર્વ જગ્યાએ જઈને ભલું કર્યું અને જેઓ શેતાનના અધિકાર નીચે હતા તે બધાને સાજા કર્યા. કારણ, ઈશ્વર તેમની સાથે હતા. યહૂદીઓના પ્રદેશમાં અને યરુશાલેમમાં કરેલાં તેમનાં બધાં કાર્યોનાં અમે સાક્ષીઓ છીએ. તેમણે તેમને ક્રૂસ પર ખીલા જડીને મારી નાખ્યા. પણ ઈશ્વરે તેમને ત્રીજે દિવસે મરણમાંથી સજીવન કર્યા. સર્વ લોકોને નહિ, પણ અમને ઈશ્વરે સાક્ષીઓ થવાને અગાઉથી પસંદ કર્યા છે અને અમને તેમનાં દર્શન કરાવ્યાં છે. તે મરણમાંથી સજીવન થયા ત્યાર પછી અમે તેમની સાથે ખાધુંપીધું. તેમણે અમને લોકો મયે શુભસંદેશનો પ્રચાર કરવા અને જીવતાંઓ અને મરેલાંઓનો ન્યાય કરવા ઈશ્વરે તેમને જ નિયુક્ત કર્યા છે તેની સાક્ષી પૂરવા આજ્ઞા કરી. બધા સંદેશવાહકો તેમને વિશે સાક્ષી પૂરે છે કે, જે તેમનામાં વિશ્વાસ મૂકશે તેનાં પાપ તેમના નામના અધિકારથી માફ થશે.” પિતર હજુ બોલતો હતો એવામાં સંદેશો સાંભળનાર બધા ઉપર પવિત્ર આત્મા ઊતર્યો. પિતરની સાથે જોપ્પાથી જે યહૂદી વિશ્વાસીઓ આવ્યા હતા તેઓ વિસ્મય પામ્યા કે ઈશ્વરે બિનયહૂદીઓને પણ પવિત્ર આત્માની ભેટ આપી છે. કારણ, તેમણે તેમને જુદી જુદી ભાષામાં બોલતા અને ઈશ્વરની મહાનતા વિષે પ્રશંસા કરતા સાંભળ્યા. પિતર બોલી ઊઠયો, “આપણી જેમ જ આ લોકો પણ પવિત્ર આત્મા પામ્યા છે. તો પછી પાણીથી બાપ્તિસ્મા લેવાને તેમને કોણ રોકી શકે?” તેથી તેણે ઈસુ ખ્રિસ્તના નામે તેમને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી લોકોએ તેને થોડા વધારે દિવસે રોકાઈ જવા વિનંતી કરી. પ્રેષિતો અને સમગ્ર યહૂદિયામાંના ભાઈઓએ સાંભળ્યું કે બિનયહૂદીઓએ પણ ઈશ્વરનો સંદેશ સ્વીકાર્યો છે. પિતર યરુશાલેમ ગયો ત્યારે બિનયહૂદીઓએ સુન્‍નત કરાવવી જોઈએ એવું માનનારાઓએ તેની ટીકા કરી, “સુન્‍નત ન કરાવી હોય તેવા બિનયહૂદીને ઘેર તમે મહેમાન તરીકે રહ્યા, અને તેની સાથે ભોજન પણ લીધું!” તેથી જે કંઈ બન્યું હતું તેનો પિતરે તેમને વિગતવાર હેવાલ આપ્યો. “હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો ત્યારે મને સંદર્શન થયું. ચાર છેડાથી લટકાવેલી મોટી ચાદર જેવું કંઈક મેં આકાશમાંથી ઊતરી આવતું જોયું. તે મારી નજીક આવી અટકી ગયું. મેં તેમાં ધારી ધારીને જોયું તો તેમાં ચાર પગવાળાં પ્રાણીઓ, વન્ય પશુઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને પક્ષીઓ જોયાં. પછી મેં એક અવાજ સાંભળ્યો, ‘પિતર, ઊઠ, મારીને ખા!’ પણ મેં કહ્યું, ‘ના, કદી નહિ, પ્રભુ! મેં કોઈપણ જાતનો અશુદ્ધ કે દૂષિત ખોરાક ક્યારેય ચાખ્યો નથી.’ ફરીથી આકાશવાણી થઈ, ‘ઈશ્વરે જેને શુદ્ધ ગણ્યું છે તેને તું અશુદ્ધ ગણીશ નહિ.’ આવું ત્રણ વાર બન્યું, અને અંતે એ આખી વસ્તુ આકાશમાં પાછી ખેંચી લેવાઈ. એ જ ક્ષણે હું રહેતો હતો તે ઘરમાં કાઈસારિયાથી મોકલેલા ત્રણ માણસો આવી પહોંચ્યા. પવિત્ર આત્માએ મને તેમની સાથે કંઈપણ આનાકાની કર્યા વગર જવા કહ્યું. આ છ ભાઈઓ પણ મારી સાથે જોપ્પાથી કાઈસારિયા આવ્યા હતા. અમે બધા કર્નેલ્યસના ઘરમાં ગયા. પોતાના ઘરમાં દૂતે તેને દર્શન દઈને જે કહ્યું હતું તે તેણે જણાવ્યું: ‘કોઈને જોપ્પા મોકલીને જેનું પૂરું નામ સિમોન પિતર છે તેને બોલાવ. તે તમને જે સંદેશ કહેશે તેનાથી તું અને તારું આખું કુટુંબ ઉદ્ધાર પામશો.’ મેં બોલવાની શરૂઆત કરી ત્યારે, આરંભમાં પવિત્ર આત્મા જેમ આપણી પર ઊતરી આવ્યો હતો, તેમ તેમના પર ઊતરી આવ્યો. પછી પ્રભુએ જે કહ્યું હતું તે મને યાદ આવ્યું, ‘યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.’ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે ઈશ્વરે આપણને જે ભેટ આપી તે તેમણે બિનયહૂદીઓને પણ આપી છે એ વાત સ્પષ્ટ છે. ત્યારે પ્રભુને એમ કરતાં અટકાવનાર હું કોણ?” એ સાંભળીને તેઓ ટીકા કરતા બંધ થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, “તો તો ઈશ્વરે બિનયહૂદીઓને પણ પોતાનાં પાપથી પાછા ફરીને નવું જીવન પામવાની તક આપી છે.” સ્તેફનને મારી નાખવામાં આવ્યો ત્યારે થયેલી સતાવણીને કારણે વિશ્વાસીઓ વિખેરાઈ ગયા હતા. એમાંના કેટલાક આ સંદેશ માત્ર યહૂદીઓને જ પ્રગટ કરતા કરતા છેક ફોનેસિયા, સાયપ્રસ અને અંત્યોખ સુધી ગયા. પરંતુ સાયપ્રસ અને કુરેનીમાંથી કેટલાક વિશ્વાસીઓ અંત્યોખ ગયા. તેમણે બિનયહૂદીઓ સમક્ષ પણ આ સંદેશો જાહેર કર્યો અને તેમને પ્રભુ ઈસુ વિષેનો શુભસંદેશ જણાવ્યો. પ્રભુનું પરાક્રમ તેમની સાથે હતું અને ઘણા લોકોએ વિશ્વાસ કર્યો અને પ્રભુ તરફ ફર્યા. આ સમાચાર યરુશાલેમની મંડળીને મળતાં તેમણે બાર્નાબાસને અંત્યોખ મોકલ્યો. લોકોને ઈશ્વરની કૃપા મળેલી જોઈને તેને ખૂબ આનંદ થયો. તેણે સૌને પોતાના પૂરા દયથી પ્રભુને નિષ્ઠાપૂર્વક વળગી રહેવા આગ્રહ કર્યો. બાર્નાબાસ પવિત્ર આત્મા અને વિશ્વાસથી ભરપૂર હતો અને સારો માણસ હતો. ઘણા લોકોને પ્રભુ તરફ દોરી લાવવામાં આવ્યા. પછી બાર્નાબાસ શાઉલને શોધી લાવવા તાર્સસ ગયો. તે તેને મળ્યો, અને તેને અંત્યોખ લઈ આવ્યો. એક આખા વર્ષ સુધી તેઓ બન્‍ને મંડળીના લોકોને મળતા રહ્યા અને મોટા જનસમુદાયને શિક્ષણ આપ્યું. શિષ્યો સૌ પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા. એ સમય દરમિયાન યરુશાલેમથી કેટલાક સંદેશવાહકો અંત્યોખ આવ્યા. તેમનામાંથી આગાબાસે ઊભા થઈને પવિત્ર આત્માથી પ્રેરાઈને આગાહી કરી કે સમગ્ર પૃથ્વી પર મોટો દુકાળ પડશે. (સમ્રાટ કલોડીયસના સમયમાં એ દુકાળ પડયો.) શિષ્યોએ નિર્ણય કર્યો કે તેમનામાંના દરેકે શકાય તેટલી મદદ યહૂદિયામાં રહેતા ભાઈઓને મોકલવી. ત્યારે તેમણે તે પ્રમાણે કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની સાથે મંડળીના આગેવાનો પર રાહતફાળો મોકલી આપ્યો. એ સમય દરમિયાન હેરોદરાજાએ મંડળીના કેટલાક સભ્યોની સતાવણી શરૂ કરી. યોહાનના ભાઈ યાકોબને તેણે તરવારથી મારી નંખાવ્યો. યહૂદીઓને એ ગમ્યું છે તે જોઈને તેણે સતાવણી ચાલુ રાખી અને પિતરની પણ ધરપકડ કરાવી. ખમીર વગરની રોટલી ખાવાના પર્વના સમય દરમિયાન એ બન્યું. પિતરની ધરપકડ કરીને તેને જેલમાં પૂરવામાં આવ્યો. ત્યાં ચાર ચાર સૈનિકોનાં ચાર જૂથના ચોકીપહેરા નીચે તેને રાખવામાં આવ્યો. પાસ્ખાપર્વ પૂરું થાય પછી તેનો કેસ જાહેરમાં ચલાવવાની હેરોદે યોજના ઘડી હતી. તેથી પિતરને જેલમાં પૂરવામાં આવ્યો, પણ તેને માટે મંડળી ઈશ્વરને આગ્રહપૂર્વક પ્રાર્થના કરતી હતી. જે દિવસે હેરોદ પિતરને લોકોની સમક્ષ લાવવાનો હતો. તેની આગલી રાત્રે પિતર બે ચોકીદારોની વચ્ચે ઊંઘી ગયો હતો. તેને બે સાંકળે બાંધેલો હતો, અને જેલના દરવાજા આગળ બે ચોકીદારો પહેરો ભરતા હતા. એકાએક પ્રભુનો એક દૂત ત્યાં આવીને ઊભો રહ્યો. દૂતે પિતરને પડખામાં મારીને જગાડયો અને કહ્યું, “જલદી ઊઠ!” પિતરના હાથ પરની સાંકળો તરત જ નીકળી પડી. પછી દૂતે કહ્યું, “તારો કમરપટ્ટો બરાબર બાંધી લે અને તારાં ચંપલ પહેરી લે.” પિતરે એમ કર્યું, એટલે દૂતે કહ્યું, “તારો ઝભ્ભો પહેરી લે અને મારી પાછળ આવ.” પિતર તેની પાછળ પાછળ જેલની બહાર ગયો. છતાં દૂત જે કરી રહ્યો હતો તે વાસ્તવિક છે કે કેમ તેની તેને ખબર ન હતી. તેને તો લાગ્યું કે તે કંઈક સંદર્શન જોઈ રહ્યો છે. તેમણે ચોકીદારોની પ્રથમ ચોકી અને બીજી ચોકી પસાર કરી, અને છેવટે શહેર તરફ ખૂલતા લોખંડી દરવાજે આવ્યા. દરવાજો તેમને માટે આપોઆપ ખૂલી ગયો અને તેઓ બહાર ગયા. તેઓ એક શેરીમાં થઈને નીકળ્યા અને એકાએક દૂત પિતરને મૂકીને જતો રહ્યો. પછી શું થયું હતું તેની પિતરને ખબર પડી. તેણે કહ્યું, “હવે મને ખબર પડી કે, એ બધું વાસ્તવિક હતું! પોતાના દૂતને મોકલીને પ્રભુએ મને હેરોદના હાથમાંથી તેમ જ મારા પર જે કંઈ વીતવાની યહૂદી લોકો રાહ જોતા હતા તે બધાથી બચાવ્યો છે.” પોતાની પરિસ્થિતિનો ખ્યાલ કરીને તે યોહાન માર્કની માતા મિર્યામને ઘેર ગયો. ત્યાં ઘણા લોકો એકત્ર થઈ પ્રાર્થના કરતા હતા. પિતરે બહારથી બારણું ખટખટાવ્યું, એટલે રોદા નામની નોકરાણી બારણું ખોલવા ગઈ. તેણે પિતરનો અવાજ ઓળખ્યો અને એટલી ખુશ થઈ ગઈ કે બારણું ખોલ્યા વિના જ પાછી અંદર દોડી ગઈ અને બોલી ઊઠી, “પિતર બહાર ઊભા છે!” તેમણે તેને કહ્યું, “તું પાગલ થઈ ગઈ છે!” પણ એણે પોતાની વાત પકડી રાખી. તેમણે જવાબ આપ્યો, “એ તો તેનો દૂત હશે.” તે દરમિયાન પિતરે બારણું ખટખટાવ્યા કર્યું. અંતે તેમણે બારણું ખોલ્યું, અને તેને જોઈને તેઓ આભા બની ગયા. તેણે પોતાના હાથથી ઈશારો કરી તેમને શાંત રહેવા જણાવ્યું, અને પ્રભુ તેને કેવી રીતે જેલમાંથી બહાર કાઢી લાવ્યા તે કહી સંભળાવ્યું. “યાકોબ અને બાકીના સૌ ભાઈઓને આ વાત કહેજો,” એમ કહીને તે ત્યાંથી બીજે ક્યાંક જતો રહ્યો. સવાર પડી ત્યારે ચોકીદારો મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા: “પિતરનું થયું શું?” હેરોદે તેને શોધી કાઢવાનો હુકમ કર્યો, પણ તેઓ તેને શોધી શક્યા નહિ. તેથી તેણે ચોકીદારોની પૂછપરછ કર્યા પછી તેમને મારી નંખાવ્યા. એ પછી હેરોદ યહૂદિયામાંથી જઈને થોડો સમય કાઈસારિયામાં રહ્યો. હેરોદ તૂર અને સિદોનના લોકો પર ઘણો ક્રોધે ભરાયો હતો; તેથી તેમનું પ્રતિનિધિમંડળ હેરોદને મળવા ગયું. પ્રથમ તેમણે મહેલના કારભારી બ્લાસ્તસને પોતાના પક્ષનો કરી લીધો. પછી તેમણે હેરોદ પાસે જઈને સમાધાન માટે વિનંતી કરી. કારણ, હેરોદના રાજ્યમાંથી તેમના દેશને અન્‍ન પુરવઠો મળતો હતો. નિયત દિવસે રાજદ્વારી વસ્ત્રોમાં સજ્જ થઈ હેરોદે પોતાના રાજ્યાસન પર બિરાજીને જનતાજોગ પ્રવચન કર્યું. તેમણે પોકાર કર્યો, “આ તો માણસ નહિ, પણ દેવ બોલે છે!” તરત જ પ્રભુના દૂતે હેરોદને માર્યો, કારણ, તેણે ઈશ્વરને માન આપ્યું નહિ. તેને કીડા ખાઈ ગયા અને તે મરી ગયો. ઈશ્વરનો સંદેશ પ્રસરતો રહ્યો અને વૃદ્ધિ પામતો ગયો. બાર્નાબાસ અને શાઉલે તેમનું સેવાકાર્ય પૂરું કર્યું અને તેમની સાથે યોહાન માર્કને લઈને યરુશાલેમથી પાછા ફર્યા. અંત્યોખમાં આવેલી મંડળીમાં કેટલાક સંદેશવાહકો અને શિક્ષકો હતા: બાર્નાબાસ, નિગેર કહેવાતો શિમિયોન, કુરેનીમાંથી આવેલો લુકિયસ, હેરોદ સાથે ઉછરેલો મનાએન અને શાઉલ. તેઓ પ્રભુનું ભજન કરતા હતા અને ઉપવાસ પર હતા, ત્યારે પવિત્ર આત્માએ તેમને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલને મેં જે કાર્ય સોંપ્યું છે તે માટે તેમને મારે માટે અલગ કરો.” તેમણે ઉપવાસ સહિત પ્રાર્થના કરી અને તેમના માથા પર હાથ મૂકીને તેમને વિદાય કર્યા. પછી બાર્નાબાસ અને શાઉલ જેમને પવિત્ર આત્માએ મોકલ્યા હતા તેઓ સિલુકિયા સુધી ગયા અને ત્યાંથી જળમાર્ગે મુસાફરી કરીને સાયપ્રસના ટાપુઓમાં ગયા. તેઓ સાલામિસ આવી પહોંચ્યા એટલે યહૂદી ભજનસ્થાનોમાં ઈશ્વરના સંદેશનો બોધ કર્યો. સેવાકાર્યમાં મદદ કરવા માટે તેમની સાથે યોહાન માર્ક આવ્યો હતો. તેઓ ટાપુમાં ફરતા ફરતા પાફોસ ગયા. ત્યાં પોતે સંદેશવાહક હોવાનો ખોટો દાવો કરતો બાર ઈસુ નામનો એક યહૂદી જાદુગર હતો. ટાપુનો રાજ્યપાલ સર્જિયસ પોલસ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેનો તે મિત્ર હતો. રાજ્યપાલે બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવડાવ્યા. કારણ, તે ઈશ્વરનો સંદેશ સાંભળવા માગતો હતો. પણ જાદુગર એલિમાસે, જે એનું ગ્રીક નામ છે, તેમનો વિરોધ કર્યો. તેણે રાજ્યપાલને વિશ્વાસ કરતો અટકાવવા પ્રયત્ન કર્યો. ત્યારે શાઉલ, જે પાઉલ તરીકે પણ ઓળખાય છે, તેણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને જાદુગરની સામે તાકીને કહ્યું, “શેતાનની ઓલાદ! તું સર્વ સારી બાબતોનો દુશ્મન છે; તું સર્વ પ્રકારની દુષ્ટ યુક્તિઓ અને કપટથી ભરેલો છે, અને તું હમેશાં પ્રભુના સત્યને જૂઠમાં ફેરવી નાખવાનો પ્રયાસ કરે છે! પ્રભુનો હાથ હમણાં જ તારા પર પડશે; તું આંધળો થઈ જઈશ, અને કેટલાક સમય સુધી તું દિવસનું અજવાળું જોઈ શકીશ નહીં.” તરત જ એલિમાસને તેની આંખો જાણે ગાઢા ધૂમ્મસથી છવાઈ ગઈ હોય તેવો અનુભવ થયો, અને કોઈ તેને હાથ પકડીને દોરી જાય તે માટે કોઈને શોધવા તે આમતેમ ફરવા લાગ્યો. જે બન્યું તે જોઈને રાજ્યપાલે વિશ્વાસ કર્યો. પ્રભુ વિષેના શિક્ષણથી તે ખૂબ જ આશ્ર્વર્ય પામ્યો. પાઉલ અને તેના સાથીદારો પાફોસથી જળમાર્ગે પામ્ફુલિયાના પેર્ગામાં આવ્યા; પણ ત્યાંથી યોહાન માર્ક તેમને તજીને યરુશાલેમ પાછો ચાલ્યો ગયો. પેર્ગાથી નીકળીને તેઓ પિસિદિયાના અંત્યોખમાં આવ્યા. વિશ્રામવારે તેઓ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા. મોશેના નિયમશાસ્ત્રમાંથી અને સંદેશવાહકોનાં લખાણમાંથી વાચન કર્યા પછી ભજનસ્થાનના અધિકારીઓએ તેમને કહેવડાવ્યું, “ભાઈઓ, તમારી પાસે ઉત્તેજનદાયક સંદેશો હોય તો લોકોને કંઈક કહો એવી અમારી ઇચ્છા છે.” પાઉલ ઊભો થયો અને શાંત રહેવા હાથથી ઇશારો કરીને બોલવા લાગ્યો: “ઈશ્વરનો ડર રાખનાર ઇઝરાયલી ભાઈઓ અને સર્વ બિનયહૂદીઓ, સાંભળો! આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે અમારા પૂર્વજોને પસંદ કર્યા. ઇઝરાયલી લોકો ઇજિપ્ત દેશમાં પરદેશીઓ તરીકે રહેતા હતા, ત્યારે તેમને વિશાળ પ્રજા બનાવી. ઈશ્વરે પોતાના મહાન પરાક્રમથી તેમને ઇજિપ્તની ગુલામીમાંથી મુક્ત કર્યા. ચાલીસ વર્ષ સુધી વેરાનપ્રદેશમાં તેમને નિભાવ્યા. કનાન દેશમાં વસતી સાત પ્રજાઓનો તેમણે નાશ કર્યો અને લગભગ ચારસો પચાસ વર્ષ સુધી પોતાના લોકોને તે પ્રદેશ વારસા તરીકે આપ્યો. “પછી સંદેશવાહક શમૂએલના સમય સુધી તેમણે તેમને ન્યાયાધિકારીઓ આપ્યા. તેમણે રાજાની માગણી કરી ત્યારે ઈશ્વરે તેમને ચાલીસ વર્ષ સુધી તેમના રાજા તરીકે બિન્યામીનના કુળના કીશના પુત્ર શાઉલને આપ્યો. તેને પદભ્રષ્ટ કર્યા પછી ઈશ્વરે દાવિદને તેમનો રાજા બનાવ્યો. ઈશ્વરે તેના સંબંધી આવું કહ્યું: ‘યિશાઈનો પુત્ર દાવિદ મને મળ્યો છે, અને તે મારો મનપસંદ એટલે, મારી ઇચ્છા પ્રમાણે વર્તનાર માણસ છે.’ “પોતે આપેલા વચન પ્રમાણે દાવિદના વંશજ ઈસુને જ ઈશ્વરે ઇઝરાયલી લોકોના ઉદ્ધારક બનાવ્યા છે. ઈસુએ પોતાનું સેવાકાર્ય શરૂ કર્યું તે પહેલાં યોહાને સર્વ ઇઝરાયલી લોકોને ઉપદેશ કર્યો કે તેમણે પોતાનાં પાપથી પાછા ફરવું જોઈએ અને બાપ્તિસ્મા પામવું જોઈએ. પોતાના સેવાકાર્યના અંત ભાગમાં યોહાને લોકોને કહ્યું, ‘હું કોણ છું એ વિષે તમે શું ધારો છો? તમે જેની રાહ જુઓ છો તે હું નથી. પણ જુઓ, તે મારા પછીથી આવે છે અને હું તેમનાં ચંપલ ઉતારવા જેવો પણ યોગ્ય નથી.’ “હે મારા ભાઈઓ, અબ્રાહામના વંશજો, અને અત્રે ઈશ્વરનું ભજન કરી રહેલા સર્વ બિનયહૂદીઓ, ઉદ્ધારનો એ સંદેશો અમને જણાવવામાં આવ્યો છે! કારણ, યરુશાલેમમાં વસતા લોકો અને તેમના આગેવાનોને ખબર ન હતી કે તે જ ઉદ્ધારક છે. પ્રત્યેક વિશ્રામવારે વાંચવામાં આવતાં સંદેશવાહકોનાં લખાણો પણ તેઓ સમજતા નથી. જો કે ઈસુને મૃત્યુદંડ ફરમાવવાનું કંઈ કારણ તેમને ન મળવા છતાં તેમણે તેમને મારી નાખવા પિલાત પાસે માગણી કરી. ધર્મશાસ્ત્રમાં તેમના વિષે જે કહેલું છે તે બધું કર્યા પછી તેમણે તેમને ક્રૂસ ઉપરથી ઉતારી લઈને કબરમાં મૂક્યા. પણ ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા, અને જેઓ ગાલીલથી તેમની સાથે યરુશાલેમ આવ્યા હતા તેમને તેમણે ઘણા દિવસ સુધી દર્શન દીધું. તે લોકો ઇઝરાયલીઓ સમક્ષ તેમના સાક્ષીઓ છે. અને અમે અહીં તેમનો શુભસંદેશ સંભળાવવા આવ્યા છીએ. જે કાર્ય કરવા માટે ઈશ્વરે આપણા પૂર્વજોને વચન આપ્યું હતું, તે કાર્ય તેમણે ઈસુને સજીવન કરીને તેમના વંશજો, એટલે આપણે માટે પૂર્ણ કર્યું છે. બીજા ગીતમાં લખ્યું છે તેમ, “તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે.” વળી, તેમને મરેલાંઓમાંથી સજીવન કરવા અંગે અને તેમને કદી કોહવાણ નહિ લાગે તે અંગે ઈશ્વરે આવું કહ્યું છે: ‘હું તને દાવિદને આપેલા દૈવી અને અટલ વરદાનની આશિષો આપીશ.’ વળી બીજા એક ભાગમાં તે એવું જ કહે છે: ‘તમે તમારા ભક્તને કોહવાણ લાગવા દેશો નહિ.’ “પણ, દાવિદે પોતાના જમાનામાં ઈશ્વરની મરજી પ્રમાણે સેવા કરી; તે પછી તે મરી ગયો, તેને તેના પૂર્વજોની જેમ દફનાવવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું. પણ ઈશ્વરે ઈસુને મરેલાંઓમાંથી સજીવન કર્યા અને તેમણે તો કોહવાણ જોયું નહિ. મારા ભાઈઓ, તમે સૌ સમજી લો કે પાપની ક્ષમા એ ઈસુ દ્વારા જ મળે છે એવો સંદેશ તમને પ્રગટ કરવામાં આવે છે; તમારે એ જાણવાની જરૂર છે કે મોશેનું નિયમશાસ્ત્ર તમને પાપમાંથી છુટકારો આપી શકાયું નહિ, પણ ઈસુ પર વિશ્વાસ કરનાર પ્રત્યેકને પાપમાંથી છુટકારો મળે છે. માટે સાવધ રહો, જેથી સંદેશવાહકોના કહેવા મુજબ તમારી દશા ન થાય: ‘ઓ નિંદકો, જુઓ, આશ્ર્વર્ય પામો અને આઘાત પામો! કારણ, તમારા સમયમાં હું એવું કાર્ય કરવાનો છું કે તે તમને કોઈ સમજાવે તો પણ તમે તે માનશો નહિ!” પાઉલ અને બાર્નાબાસ ભજનસ્થાનમાંથી બહાર જતા હતા ત્યારે લોકોએ પછીના વિશ્રામવારે આવીને તેમને આ વાતો વિષે વધુ જણાવવા આમંત્રણ આપ્યું. લોકો સભામાંથી વિખેરાયા પછી ઘણા યહૂદીઓ અને યહૂદી ધર્મ સ્વીકારનારા ઘણા બિનયહૂદીઓ પાઉલ અને બાર્નાબાસની પાછળ પાછળ ગયા. પ્રેષિતોએ તેમની સાથે વાત કરી અને ઈશ્વરની કૃપામાં જીવન ગાળવા તેમને ઉત્તેજન આપ્યું. પછીના વિશ્રામવારે નગરના લગભગ બધા લોકો પ્રભુનો સંદેશ સાંભળવા આવ્યા. લોકોનાં ટોળેટોળાં જોઈને યહૂદીઓને ઈર્ષા આવી. તેઓ પાઉલની વિરુદ્ધ બોલ્યા અને તેનું અપમાન કર્યું. પણ પાઉલ અને બાર્નાબાસ વિશેષ હિંમતથી બોલ્યા, “ઈશ્વરનો સંદેશ પ્રથમ તમને જણાવવામાં આવે એ જરૂરી હતું. પણ તમે તેનો નકાર કરો છો અને પોતાને સાર્વકાલિક જીવન માટે અપાત્ર ઠરાવતા હોવાથી અમે તમને તજીને બિનયહૂદીઓ પાસે જઈએ છીએ. કારણ, પ્રભુએ અમને આ આજ્ઞા આપેલી છે: ‘મેં તને બિનયહૂદીઓને પ્રકાશરૂપ થવા અને સમગ્ર દુનિયા માટે ઉદ્ધારનો માર્ગ બનવા નીમ્યો છે.” આ સાંભળીને બિનયહૂદીઓ ખુશ થઈ ગયા અને તેમણે પ્રભુના સંદેશ માટે સ્તુતિ કરી; અને જેઓ સાર્વકાલિક જીવન માટે પસંદ કરાયેલા હતા તેઓ વિશ્વાસી બન્યા. પ્રભુનો સંદેશ એ પ્રદેશમાં બધી જગ્યાએ ફેલાઈ ગયો. પણ યહૂદીઓએ શહેરના અગ્રગણ્ય માણસોને તેમજ ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવનાર અને ભક્તિભાવી સ્ત્રીઓને ઉશ્કેર્યાં. તેમણે પાઉલ અને બાર્નાબાસની સતાવણી શરૂ કરી અને તેમને તેમના પ્રદેશમાંથી કાઢી મૂક્યા. પ્રેષિતો તેમના પગની ધૂળ તેમની સામે ખંખેરીને ઈકોનિયમ ચાલ્યા ગયા. પણ અંત્યોખના શિષ્યો તો આનંદથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતા. ઈકોનિયમમાં પણ એવું જ બન્યું. પાઉલ અને બાર્નાબાસ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા અને એવી રીતે બોલ્યા કે મોટી સંખ્યામાં યહૂદીઓ અને બિનયહૂદીઓ વિશ્વાસી બન્યા. પણ વિશ્વાસ નહિ કરનાર યહૂદીઓએ બિનયહૂદીઓને ઉશ્કેર્યા અને તેમની લાગણીઓ ભાઈઓની વિરુદ્ધ ફેરવી નાખી. પ્રેષિતો ત્યાં લાંબો સમય રહ્યા. તેઓ પ્રભુ વિષે હિંમતપૂર્વક બોલ્યા. પ્રભુએ તેમને ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો કરવાનું સામર્થ્ય આપીને પોતાની કૃપા વિષેનો તેમનો સંદેશ સાચો છે તે સાબિત કરી આપ્યું. શહેરના લોકોમાં ભાગલા પડી ગયા. કેટલાક યહૂદીઓના પક્ષના હતા, જ્યારે બીજા કેટલાક પ્રેષિતોના પક્ષના હતા. પછી બિનયહૂદીઓ, યહૂદીઓ તથા તેમના આગેવાનોએ પ્રેષિતોનું અપમાન કરવાનો તથા તેમને પથ્થરે મારવાનો નિર્ણય કર્યો. એની ખબર પડી જતાં પ્રેષિતો લુકાનિયાનાં લુસ્ત્રા અને દેર્બે શહેરોમાં અને આસપાસના પ્રદેશમાં નાસી ગયા. ત્યાં તેમણે શુભસંદેશનો પ્રચાર ચાલુ રાખ્યો. લુસ્ત્રામાં એક લંગડો માણસ હતો; તે જન્મથી જ લંગડો હતો અને કદી પણ ચાલ્યો ન હતો. તે બેઠો બેઠો પાઉલના શબ્દો સાંભળતો હતો. પાઉલે જોયું કે સાજાપણું પ્રાપ્ત કરવા માટે તેનામાં વિશ્વાસ છે. તેથી તેણે તેની સામે તાકીને જોયું અને મોટે અવાજે કહ્યું, “તારા પગ પર ટટ્ટાર થઈ ઊભો થા!” પેલો માણસ કૂદકો મારીને ઊઠયો અને આસપાસ ચાલવા લાગ્યો. પાઉલનું કાર્ય જોઈને જનસમુદાયે તેમની લુકાની ભાષામાં પોકાર કર્યો, “માણસના રૂપમાં દેવો આપણી પાસે આવ્યા છે!” તેમણે બાર્નાબાસનું નામ ઝૂસ આપ્યું અને પાઉલનું નામ હેર્મેસ આપ્યું, કારણ, તે મુખ્ય વક્તા હતો. શહેરની બહાર ઝૂસ દેવનું મંદિર હતું. તેનો યજ્ઞકાર દરવાજા પર બળદો અને ફૂલો લાવ્યો. તે તથા જનસમુદાય પ્રેષિતોને બલિદાન ચઢાવવા માગતા હતા. પ્રેષિતો એટલે બાર્નાબાસ અને પાઉલે એ વિશે સાંભળ્યું ત્યારે તેમણે પોતાનાં વસ્ત્ર ફાડયાં અને ટોળા મયે દોડી જઈને બૂમ પાડી, “ભાઈઓ, તમે એવું કેમ કરો છો? તમારી જેમ અમે માત્ર માણસ જ છીએ! તમે આ નિરર્થક બાબતો તજીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર તથા તેમાં જે છે તે સૌના સરજનહાર જીવંત ઈશ્વર તરફ ફરો તે માટે તમને શુભસંદેશ જાહેર કરવા અમે અહીં આવ્યા છીએ. ભૂતકાળમાં ઈશ્વરે બધી પ્રજાઓને પોતપોતાને માર્ગે વળી જવા દીધી હતી. તેમ છતાં પોતાની હયાતીના પ્રમાણથી તેમને વંચિત રાખી નહિ. કારણ, તે સારાં કાર્યો કરે છે: તે તમને આકાશમાંથી વરસાદ આપે છે, ખોરાક આપીને તમારાં હૃદયોને ઉલ્લાસિત કરે છે.” આવું કહ્યા છતાં પણ પ્રેષિતો લોકોને મહામુશ્કેલીએ તેમને બલિદાન ચઢાવતા રોકી શક્યા. પિસિદિયાના અંત્યોખથી અને ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ આવ્યા. તેમણે લોકોનાં ટોળાંને પોતાના પક્ષનાં કરી લીધાં. તેમણે પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું ધારીને તેને નગર બહાર ઢસડી ગયા. પણ વિશ્વાસીઓ તેની આસપાસ એકઠા થયા ત્યારે તે ઊભો થઈને નગરમાં પાછો ફર્યો. બીજે દિવસે તે અને બાર્નાબાસ દેર્બે ગયા. પાઉલ અને બાર્નાબાસે દેર્બેમાં શુભસંદેશનો પ્રચાર કર્યો અને ઘણા શિષ્યો બનાવ્યા. પછી તેઓ લુસ્ત્રા પાછા ગયા અને ત્યાંથી ઈકોનિયમ અને ત્યાંથી પિસિદિયાના અંત્યોખ ગયા. તેમણે શિષ્યોને દઢ કર્યા અને તેમને વિશ્વાસમાં મક્કમ રહેવાનો અનુરોધ કર્યો. તેમણે શીખવ્યું, “ઈશ્વરના રાજમાં પ્રવેશવા માટે આપણે ઘણાં સંકટોમાં થઈને પસાર થવાની જરૂર છે.” પ્રત્યેક મંડળીમાં તેમણે આગેવાનો નીમ્યા; અને તેમને પ્રાર્થના તથા ઉપવાસ કરીને જેમના પર તેમણે વિશ્વાસ મૂક્યો હતો તે પ્રભુને સોંપ્યા. પિસિદિયાના પ્રદેશમાં ફર્યા પછી તેઓ પામ્ફુલિયા આવ્યા. પેર્ગામાં સંદેશો પ્રગટ કર્યા પછી તેઓ અટ્ટાલિયા ગયા. ત્યાંથી તેઓ જળમાર્ગે અંત્યોખ આવ્યા. જે સેવાકાર્ય તેમણે હાલ પૂરું કર્યું તે માટે તેમને અહીંથી જ ઈશ્વરની કૃપાને સહારે સોંપવામાં આવ્યા હતા. તેઓ અંત્યોખમાં આવ્યા એટલે તેમણે મંડળીના લોકોને એકત્રિત કર્યા અને ઈશ્વરે તેમને માટે કરેલાં કાર્યો અને બિનયહૂદીઓ વિશ્વાસ કરે તે માટે તેમણે કેવી રીતે માર્ગ ખોલ્યો તે બધું તેમને કહી સંભળાવ્યું. ત્યાં તેઓ વિશ્વાસીઓ સાથે લાંબો સમય રહ્યા. યહૂદિયાથી કેટલાક માણસો અંત્યોખ આવ્યા અને ભાઈઓને શીખવવા લાગ્યા, “મોશેના નિયમશાસ્ત્રની માગણી પ્રમાણે તમે સુન્‍નત ન કરાવો ત્યાં સુધી તમે ઉદ્ધાર પામી શકો નહિ.” પાઉલ અને બાર્નાબાસને આ અંગે તેમની સાથે ઉગ્ર દલીલો સહિત વાદવિવાદ થયો; તેથી એવું નક્કી કર્યું કે પાઉલ અને બાર્નાબાસ અને અંત્યોખથી કેટલાક માણસો યરુશાલેમ જાય અને આ બાબત અંગે પ્રેષિતો અને આગેવાનોને મળે. મંડળીએ તેમને મોકલી આપ્યા, અને ફોનેસિયા તથા સમરૂનમાં થઈને જતાં જતાં બિનયહૂદીઓ કેવી રીતે ઈશ્વર તરફ ફર્યા હતા તેના સમાચાર આપતા ગયા; આ સમાચારથી સર્વ ભાઈઓને પુષ્કળ આનંદ થયો. તેઓ યરુશાલેમમાં આવ્યા એટલે મંડળીએ, પ્રેષિતોએ અને આગેવાનોએ તેમનો આદરસત્કાર કર્યો અને ઈશ્વરે તેમને માટે કરેલાં બધાં કાર્યો તેમણે તેમને જણાવ્યાં. પણ ફરોશી પક્ષના કેટલાક વિશ્વાસીઓએ ઊભા થઈને કહ્યું, “તેમની સુન્‍નત તો થવી જ જોઈએ અને મોશેનું નિયમશાસ્ત્ર પાળવાનું તેમને ફરમાવવું જોઈએ.” પ્રેષિતો અને આગેવાનો આ પ્રશ્ર્નની વિચારણા કરવા એકત્ર થયા. લાંબી ચર્ચા થયા પછી પિતરે ઊભા થઈને કહ્યું, “મારા ભાઈઓ, તમે જાણો છો કે કેટલાક સમય પહેલાં બિનયહૂદીઓને શુભસંદેશની વાતનો ઉપદેશ કરવા ઈશ્વરે મને પસંદ કર્યો કે જેથી તેઓ તે સાંભળીને વિશ્વાસ કરે. માણસોનાં અંત:કરણ પારખનાર ઈશ્વરે આપણા સંબંધમાં કર્યું તેમ બિનયહૂદીઓને પણ પવિત્ર આત્મા આપીને તેમના સંબંધમાં પોતાની અનુમતિ દર્શાવી. આપણી અને તેમની વચ્ચે તેમણે કોઈ ભેદભાવ રાખ્યો નહિ; તેમણે વિશ્વાસ કર્યો એટલે ઈશ્વરે તેમનાં હૃદયોને શુદ્ધ કર્યાં. તો પછી જે બોજ આપણા પૂર્વજો કે આપણે ઊંચકી શક્યા નથી તે શિષ્યો પર લાદીને તમે શા માટે ઈશ્વરની પરીક્ષા કરો છો? ના, ના, તેમની જેમ આપણે પણ વિશ્વાસ કરવાને લીધે જ પ્રભુ ઈસુની કૃપાથી ઉદ્ધાર પામ્યા છીએ.” બાર્નાબાસ અને પાઉલ ઈશ્વરે તેમના દ્વારા બિનયહૂદીઓ મયે કરેલાં અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો અંગે હેવાલ આપતા હતા ત્યારે આખી સભા શાંત રહી. તેમણે વક્તવ્ય પૂરું કર્યું એટલે યાકોબ બોલી ઊઠયો, “ભાઈઓ, મારું સાંભળો! બિનયહૂદીઓમાંથી ઈશ્વરે પોતાના લોક બનાવ્યા અને તેમના પ્રત્યેની પોતાની કાળજી દર્શાવી તે વિશે સિમોને હમણાં જ સમજાવ્યું. સંદેશવાહકોના શબ્દોનો એની સાથે પૂરેપૂરો મેળ ખાય છે. ધર્મશાસ્ત્ર કહે છે તેમ, ‘પ્રભુ કહે છે: એ પછી હું પાછો ફરીશ, અને દાવિદનો પડી ગયેલો મંડપ હું ઊભો કરીશ, તેનાં ખંડિયેરો હું સમારીશ અને તેને ફરી બાંધીશ. અને તેથી સર્વ લોકો પ્રભુને શોધશે, જેમને મેં મારા પોતાના થવા આમંત્રણ આપ્યું છે એવા સર્વ બિનયહૂદીઓ પણ શોધશે. અગાઉથી આ વાત જાહેર કરનાર પ્રભુ એમ કહે છે.” યાકોબે બોલવાનું ચાલુ રાખ્યું, “મારા અભિપ્રાય પ્રમાણે ઈશ્વર તરફ ફરતા બિનયહૂદીઓનો બોજ આપણે વધારવો જોઈએ નહિ. એને બદલે, આપણે તેમના પર પત્ર લખીએ કે, તેમણે મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, વ્યભિચાર ન કરવો, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, અને લોહી ન પીવું. કારણ, લાંબા સમયથી પ્રત્યેક વિશ્રામવારે ભજનસ્થાનોમાં મોશેનું નિયમશાસ્ત્ર વાંચવામાં આવે છે; અને તેનાં વચનોનો પ્રત્યેક શહેરમાં ઉપદેશ થાય છે.” પછી પ્રેષિતો, આગેવાનો અને સમગ્ર મંડળીએ મળીને અમુક માણસો પસંદ કરીને તેમને પાઉલ તથા બાર્નાબાસ સાથે અંત્યોખ મોકલવા નિર્ણય કર્યો. તેમણે બાર્સાબાસ તરીકે ઓળખાતો યહૂદા અને સિલાસ એ બે જણને પસંદ કર્યા. તેઓ ભાઈઓમાં આગેવાન હતા. તેમની મારફતે તેમણે આવો પત્ર પાઠવ્યો: “અંત્યોખ, સિરિયા અને કિલીકિયામાં વસતા બધા બિનયહૂદી ભાઈઓને અમારી એટલે, પ્રેષિતો, આગેવાનો તથા તમારા ભાઈઓની શુભેચ્છા. અમારા સાંભળવામાં આવ્યું છે કે અમારી સંગતમાંના કેટલાક માણસો નીકળી પડયા છે અને તેમના શિક્ષણથી તમારામાં મુશ્કેલી અને મૂંઝવણ પેદા થઈ છે; પણ આ અંગે કોઈ સૂચનાઓ અમારા તરફથી આપવામાં આવી નથી. તેથી અમે એકત્ર થઈને સર્વાનુમતે કેટલાક સંદેશકો પસંદ કરીને તમારી પાસે મોકલીએ છીએ. તેઓ આપણા પ્રિય મિત્રો બાર્નાબાસ અને પાઉલ જેમણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં પોતાના જીવનું જોખમ વહોર્યું છે, તેમની સાથે આવે છે. આમ અમે તમારી પાસે યહૂદા અને સિલાસને મોકલીએ છીએ. અમે જે લખીએ છીએ તે તેઓ તમને રૂબરૂમાં કહેશે. પવિત્ર આત્મા અને અમે સંમત થયા છીએ કે આ જરૂરી નિયમો સિવાય બીજો વિશેષ બોજ તમારા પર લાદવો નહિ: મૂર્તિને ચઢાવેલો ખોરાક ન ખાવો, લોહી ન પીવું, ગૂંગળાવીને મારેલું પ્રાણી ન ખાવું, વ્યભિચાર ન કરવો. આ બધી બાબતોથી તમે પોતાને દૂર રાખશો તો તમારું ભલું થશે. તમારું કલ્યાણ થાઓ.” સંદેશકોને મોકલવામાં આવ્યા. તેઓ અંત્યોખ આવ્યા અને ત્યાં તેમણે વિશ્વાસીઓની આખી સંગતને એકઠી કરીને તેમને પત્ર આપ્યો. પત્ર વાંચીને લોકો ઉત્તેજનના સંદેશથી આનંદવિભોર થઈ ગયા. યહૂદા અને સિલાસ પણ ઈશ્વરના સંદેશવાહકો હતા. તેથી તેઓ ભાઈઓ સાથે રહ્યા અને તેમને ઉત્તેજન આપીને દઢ કર્યા. ત્યાં કેટલોક સમય રહ્યા પછી ભાઈઓએ તેમને શાંતિથી વિદાય કર્યા એટલે તેઓ યરુશાલેમ પાછા ગયા. (પણ સિલાસે ત્યાં રહેવાનો નિર્ણય કર્યો.) પાઉલ અને બાર્નાબાસ થોડો સમય અંત્યોખમાં રહ્યા. બીજાઓની સાથે તેમણે પણ પ્રભુનું વચન શીખવ્યું અને તેનો બોધ કર્યો. કેટલાક સમય પછી પાઉલે બાર્નાબાસને કહ્યું, “ચાલો, આપણે પાછા જઈને પ્રત્યેક શહેરમાં આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેવી પ્રગતિ કરે છે.” બાર્નાબાસ તેમની સાથે યોહાન માર્કને લેવા માગતો હતો; પણ તેને સાથે લેવાનું પાઉલને યોગ્ય લાગ્યું નહિ. કારણ, તે તેમના સેવાકાર્યના અંત સુધી તેમની સાથે રહ્યો ન હતો, પણ પામ્ફૂલિયામાં તેમને મૂકીને જતો રહ્યો હતો. તે બે વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ, અને તેઓ બન્‍ને એકબીજાથી જુદા પડયા. યોહાન માર્કને લઈને બાર્નાબાસ જળમાર્ગે સાયપ્રસ ચાલ્યો ગયો; જ્યારે પ્રભુની કૃપાના આધારે ભાઈઓની સોંપણી કર્યા પછી સિલાસને લઈને પાઉલ ચાલી નીકળ્યો. તે મંડળીઓને વિશ્વાસમાં સુદઢ કરતો કરતો સિરિયા અને કિલીકિયામાં થઈને પસાર થયો. ત્યાર પછી પાઉલ દેર્બે અને લુસ્ત્રા ગયો. ત્યાં તિમોથી નામે એક વિશ્વાસી રહેતો હતો. તેની મા વિશ્વાસી હતી; તે યહૂદી હતી. તેનો પિતા ગ્રીક હતો. લુસ્ત્રા અને દેર્બેમાં બધા ભાઈઓનો તિમોથી વિષેનો અભિપ્રાય ઘણો સારો હતો. પાઉલ તિમોથીને તેની સાથે લેવા માગતો હતો, તેથી તેણે તેની સુન્‍નત કરાવી. એમ કરવાનું કારણ એ હતું કે એ સ્થળોમાં રહેતા સર્વ યહૂદીઓ જાણતા હતા કે તિમોથીનો પિતા ગ્રીક છે. નગરેનગર જતાં જતાં તેઓ પ્રેષિતો અને યરુશાલેમના આગેવાનોએ ઠરાવેલા નિયમો વિશ્વાસીઓને જણાવતા ગયા, અને તેમને એ નિયમો પાળવાનું કહેતા ગયા. એમ મંડળીઓ વિશ્વાસમાં દઢ થતી ગઈ અને સંખ્યામાં વધતી ગઈ. તેમણે ફ્રુગિયા અને ગલાતિયાના પ્રદેશમાં પ્રવાસ કર્યો. કારણ, પવિત્ર આત્માએ તેમને આસિયા પ્રદેશમાં સંદેશનો પ્રચાર કરતાં અટકાવ્યા. તેઓ મુસિયાની સરહદ પર પહોંચ્યા ત્યારે તેમણે બિથુનિયા જવાનો પ્રયાસ કર્યો, પણ ઈસુના આત્માએ તેમને જવા દીધા નહિ. તેથી તેઓ મુસિયા થઈને મુસાફરી કરતાં કરતાં ત્રોઆસ આવી પહોંચ્યા. તે રાત્રે પાઉલને સંદર્શન થયું અને તેમાં તેણે એક માણસને ઊભો થઈને આજીજી કરતાં જોયો, “મકદોનિયા આવીને અમને સહાય કરો.” પાઉલને એ સંદર્શન થયા પછી અમે તરત જ મકદોનિયા જવા તૈયાર થઈ ગયા. કારણ, અમે નિર્ણય પર આવ્યા કે ઈશ્વરે અમને ત્યાંના લોકોને શુભસંદેશનો ઉપદેશ કરવા આમંત્રણ આપ્યું છે. અમે ત્રોઆસથી વહાણમાં ઊપડયા અને સીધેસીધા સામોથ્રાકે હંકારી ગયા અને બીજે દિવસે નીઆપોલીસ પહોંચ્યા. ત્યાંથી અમે જમીનમાર્ગે ફિલિપ્પી ગયા. એ તો મકદોનિયા જિલ્લાનું અગ્રગણ્ય શહેર અને રોમનોનું સંસ્થાન છે. અમે એ શહેરમાં ઘણા દિવસ રહ્યા. શહેર બહાર નદીકિનારે યહૂદીઓનું પ્રાર્થનાસ્થાન હશે એવું ધારીને વિશ્રામવારે અમે ત્યાં ગયા. ત્યાં બેસીને અમે એકત્ર થયેલી સ્ત્રીઓ સાથે વાત કરી. એમાંની એક થુઆતૈરાની લુદિયા હતી. તે જાંબુઆ વસ્ત્રનો વેપાર કરતી હતી. તે ઈશ્વરભક્ત હતી અને પાઉલનું કહેવું ગ્રહણ કરવા પ્રભુએ તેનું મન ખોલ્યું. તે અને તેના ઘરનાં માણસો બાપ્તિસ્મા પામ્યાં. પછી તેણે અમને આમંત્રણ આપ્યું, “જો તમને લાગ્યું હોય કે હું પ્રભુમાં સાચો વિશ્વાસ કરું છું, તો મારે ઘેર આવીને રહો.” તેણે અમને પોતાને ત્યાં લઈ જવા આગ્રહ કર્યો. એક દિવસે અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે અમને એક સ્ત્રીનોકર મળી. તેને આગાહી કરનાર દુષ્ટાત્મા વળગ્યો હતો. ભવિષ્ય ભાખીને તેણે તેના માલિકોને ઘણા પૈસા કમાવી આપ્યા હતા. તે પાઉલ અને અમારી પાછળ પાછળ બૂમો પાડતી પાડતી આવતી હતી, “આ માણસો તો સર્વોચ્ચ ઈશ્વરના સેવકો છે! તમારો કેવી રીતે ઉદ્ધાર થઈ શકે તે તેઓ તમને જાહેર કરે છે!” ઘણા દિવસોથી તે આ પ્રમાણે કરતી હતી, એટલે છેવટે પાઉલે અકળાઈને પાછા ફરીને દુષ્ટાત્માને કહ્યું, “પ્રભુ ઈસુને નામે હું તને હુકમ કરું છું કે તેનામાંથી નીકળી જા!” એ જ ક્ષણે તેનામાંથી દુષ્ટાત્મા નીકળી ગયો. જ્યારે તેના માલિકોને ખબર પડી કે તેમની પૈસા કમાવાની તક ચાલી ગઈ છે ત્યારે તેમણે પાઉલ અને સિલાસને પકડયા અને તેમને અધિકારીઓ પાસે જાહેરસ્થાનમાં ઢસડી ગયા. તેમણે તેમને રોમન અધિકારીઓ પાસે લાવીને કહ્યું, “આ લોકો યહૂદી છે અને આપણા શહેરમાં ધાંધલ મચાવે છે. તેઓ આપણા નિયમ વિરુદ્ધના રિવાજો શીખવે છે, આપણે રોમનો હોવાથી એ રિવાજોનો સ્વીકાર કે પાલન કરી શકીએ નહિ.” લોકોના ટોળાએ તેમની વિરુદ્ધના હુમલામાં સાથ આપ્યો; અધિકારીઓએ પાઉલ અને સિલાસનાં વસ્ત્ર ઉતારી નાખ્યાં અને તેમને ફટકા મારવાનો હુકમ કર્યો. સખત માર માર્યા પછી તેમને જેલમાં નાખવામાં આવ્યા અને તેમને પૂરીને તાળાં મારી દેવા જેલના અધિકારીને હુકમ કર્યો. હુકમ મળતાંની સાથે જ જેલના અધિકારીએ તેમને અંદરની કોટડીમાં નાખ્યા અને તેમના પગ લાકડાની ભારે હેડમાં જકડયા. લગભગ મધરાતે પાઉલ અને સિલાસ પ્રભુને પ્રાર્થના કરતા હતા અને ગીતો ગાતા હતા, અને બીજા કેદીઓ તેમનું સાંભળતા હતા. એકાએક મોટો ધરતીકંપ થયો કે જેથી જેલના પાયા હાલી ગયા. તરત જ બધા દરવાજા ખૂલી ગયા અને બધા કેદીઓની સાંકળો નીકળી પડી. અધિકારી જાગી ગયો અને દરવાજા ખુલ્લા જોઈને તેણે ધાર્યું કે બધા કેદીઓ નાસી છૂટયા હશે; તેથી તે પોતાની તલવાર તાણીને આપઘાત કરવા જતો હતો. પણ પાઉલ મોટે ઘાંટે બૂમ પાડી ઊઠયો, “તમે પોતાને કંઈ ઇજા કરશો નહિ! અમે બધા અહીં જ છીએ!” જેલના અધિકારીએ દીવો મંગાવ્યો અને દોડીને અંદર ગયો અને પાઉલ તથા સિલાસને પગે પડયો. પછી તેણે તેમને બહાર લાવીને પૂછયું, “સાહેબો, મારો ઉદ્ધાર થાય તે માટે હું શું કરું?” તેમણે કહ્યું, “પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર એટલે તારો તથા તારા ઘરકુટુંબનો ઉદ્ધાર થશે.” પછી તેમણે તેને અને તેના ઘરનાં બધાંને પ્રભુનાં વચનનો બોધ કર્યો. તે જ રાત્રે જેલનો અધિકારી તેમને ત્યાંથી લઈ ગયો અને તેમના ઘા ધોયા; અને તેણે અને તેના ઘરકુટુંબે તરત જ બાપ્તિસ્મા લીધું. તે પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં લઈ ગયો અને તેમને ખાવાનું આપ્યું. તેણે ઈશ્વરમાં વિશ્વાસ મૂક્યો તેથી તેને તથા તેના કુટુંબને ખૂબ જ આનંદ થયો. બીજી સવારે રોમન અધિકારીઓએ સૈનિકો મારફતે હુકમ મોકલ્યો, “એ માણસોને છોડી મૂકો.” તેથી જેલના અધિકારીએ પાઉલને કહ્યું, “અધિકારીઓએ તમને અને સિલાસને છોડી મૂકવાનો હુકમ મોકલ્યો છે. તેથી હવે તમે જઈ શકો છો; શાંતિથી જાઓ.” પણ પાઉલે સૈનિકોને કહ્યું, “અમારા પર કોઈ દોષ સાબિત ન થયો હોવા છતાં તેમણે અમને રોમન નાગરિકોને જાહેરમાં માર્યા પછી અમને જેલમાં નાખ્યા અને હવે તેઓ અમને છાનામાના જવા દે છે? એવું નહિ જ બને! રોમન અધિકારીઓએ જાતે અહીં આવીને અમને છૂટા કરવા જોઈએ.” સૈનિકોએ આ શબ્દો રોમન અધિકારીઓને જણાવ્યા; અને જ્યારે તેમણે જાણ્યું કે પાઉલ અને સિલાસ રોમન નાગરિકો છે ત્યારે તેઓ ગભરાયા. તેમણે ત્યાં જઈને તેમની માફી માગી. પછી તેમને જેલમાંથી બહાર કાઢી લાવીને શહેરમાંથી જતા રહેવા જણાવ્યું. પાઉલ અને સિલાસ જેલમાંથી લુદિયાને ઘેર ગયા. ત્યાં ભાઈઓને મળ્યા અને તેમને ઉત્તેજન આપીને ત્યાંથી વિદાય થયા. તેઓ આમ્ફીપોલિસ અને આપોલ્લોનિયા થઈને થેસ્સાલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક ભજનસ્થાન હતું. પોતાની સામાન્ય રીત પ્રમાણે પાઉલ એ ભજનસ્થાનમાં ગયો. ત્યાં ત્રણ વિશ્રામવાર સુધી તેણે શાસ્ત્રવચનો ટાંકીને ખ્રિસ્તે દુ:ખ સહન કરવું જોઈએ અને મરણમાંથી સજીવન થવું જોઈએ, એ બાબતનો લોકોની આગળ ખુલાસો કર્યો અને તેની સાબિતી આપી. પાઉલે કહ્યું, “જે ઈસુને હું પ્રગટ કરું છું તે જ ખ્રિસ્ત છે.” તેમાંના કેટલાકને એની ખાતરી થઈ અને તેઓ પાઉલ અને સિલાસ સાથે જોડાયા. ઈશ્વરની આરાધના કરનાર ગ્રીકોનો મોટો સમુદાય અને ઘણી અગ્રગણ્ય સ્ત્રીઓ પણ સંગતમાં જોડાયાં. પણ યહૂદીઓને અદેખાઈ આવી. તેમણે શેરીઓના ગુડાંઓનો સાથ લઈને આખા શહેરમાં ધાંધલ મચાવ્યું અને પાઉલ તથા સિલાસને શોધીને લોકો સમક્ષ લાવવાના પ્રયાસરૂપે યાસોનના ઘર પર હુમલો કર્યો. પણ તેઓ તેમને મળ્યા નહિ એટલે યાસોન અને બીજા ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે લઈ ગયા અને બૂમો પાડી, “આ લોકોએ આખી દુનિયામાં ઊથલપાથલ કરી મૂકી છે અને હવે આપણા શહેરમાં પણ આવ્યા છે અને યાસોને તેમને પોતાના ઘરમાં રાખ્યા છે. ઈસુ નામે બીજો એક રાજા છે એમ કહીને તેઓ સમ્રાટના બધા કાયદાઓ તો ડે છે.” એમ કહીને તેમણે લોકોને અને શહેરના અધિકારીઓને ઉશ્કેર્યા. અધિકારીઓએ યાસોન અને બીજાઓને જામીન પર છોડી મૂક્યા. રાત પડી એટલે ભાઈઓએ પાઉલ અને સિલાસને તરત જ બેરિયા મોકલી દીધા. ત્યાં પહોંચ્યા પછી તેઓ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા. થેસ્સાલોનિકાના લોકો કરતાં બેરિયાના લોકો ઉમદા દિલવાળા હતા. તેઓ ખૂબ આતુરતાથી સંદેશો સાંભળતા અને પાઉલનું કહેવું ખરેખર સાચું છે કે કેમ તે જાણવા ધર્મશાસ્ત્રમાંથી દરરોજ સંશોધન કરતા. તેમનામાંથી ઘણાએ વિશ્વાસ કર્યો. વળી ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવતી કેટલીક ગ્રીક સ્ત્રીઓએ તેમ જ ઘણા ગ્રીક પુરુષોએ પણ વિશ્વાસ કર્યો. થેસ્સાલોનિકાના યહૂદીઓએ સાંભળ્યું કે પાઉલ બેરિયામાં પણ ઈશ્વરના સંદેશનો પ્રચાર કરે છે, ત્યારે તેઓ ત્યાં પણ ટોળાને ઉશ્કેરવા અને ધાંધલ મચાવવા આવી પહોંચ્યા. ભાઈઓએ પાઉલને તરત જ દરિયાક્ંઠાના પ્રદેશમાં મોકલી આપ્યો; પણ સિલાસ અને તિમોથી બેરિયામાં રહ્યા. પાઉલની સાથે ગયેલા માણસો એથેન્સ સુધી તેની સાથે ગયા. પછી સિલાસ અને તિમોથી જલદીથી પાઉલની સાથે થઈ જાય એવી તેની સૂચનાઓ મેળવીને પાછા બેરિયા આવ્યા. પાઉલ સિલાસ અને તિમોથીની રાહ જોતો હતો. તેવામાં શહેરમાં અસંખ્ય મૂર્તિઓ જોઈને પાઉલનો જીવ અકળાઈ ઊઠયો. તેથી તેણે ભજનસ્થાનમાં યહૂદીઓ સાથે, ઈશ્વરની ભક્તિ કરનાર ગ્રીકો સાથે અને જાહેરસ્થાનોમાં રોજરોજ એકત્ર થતા લોકો સાથે વાદવિવાદ કર્યો. એપીકાયુરિયન અને સ્ટોઈક મતના કેટલાક ફિલસૂફોએ પણ તેની સાથે વાદવિવાદ કર્યો. કેટલાકે કહ્યું, “આ લવરીખોર શું કહે છે?” બીજાઓએ કહ્યું, “તે કોઈ પરદેશી દેવદેવી સંબંધી બોલતો લાગે છે.” ઈસુ અને તેમના સજીવન થવા વિષે પાઉલ ઉપદેશ કરતો હોવાથી તેઓ એવું બોલ્યા. તેથી તેઓ પાઉલને લઈને એરિયોપાગસના સભાગૃહમાં આવ્યા અને કહ્યું, “તું જે નવા શિક્ષણ વિષે બોલે છે તે વિષે અમારે વધારે જાણવું છે. તારી પાસેથી જે વાતો અમે સાંભળીએ છીએ તેમાંની કેટલીક અમને વિચિત્ર લાગે છે અને અમે તેનો અર્થ જાણવા માગીએ છીએ.” એથેન્સના સર્વ નાગરિકો અને ત્યાં વસતા પરદેશીઓ તેમનો બધો સમય નવી વિચારસરણીની ચર્ચા કરવામાં ગાળતા. પાઉલ એરિયોપાગસના સભાગૃહના પ્રાંગણમાં ઊભો રહ્યો અને કહ્યું, “એથેન્સવાસીઓ! તમે સર્વ રીતે ખૂબ જ ધાર્મિક છો. કારણ, તમારા શહેરમાંથી પસાર થતાં હું તમારાં ભજનસ્થાનો જોતો હતો. ત્યારે મેં એક એવી પણ વેદી જોઈ કે જેના પર “અજાણ્યા દેવના ભજન માટે.” એવો લેખ કોતરેલો હતો. પણ દુનિયા અને તેની અંદરનું સર્વસ્વ ઉત્પન્‍ન કરનાર ઈશ્વર આકાશ તથા પૃથ્વીના પ્રભુ છે, અને તે માણસોએ બાંધેલાં મંદિરોમાં રહેતા નથી. વળી, માણસોની મદદની તેમને કંઈ જરૂર નથી. કારણ, તે પોતે જ બધા માણસોને જીવન, શ્વાસોચ્છ્વાસ અને સઘળું આપે છે. એક માણસમાંથી તેમણે બધી પ્રજાઓ પેદા કરી, અને તેમને આખી પૃથ્વી પર વસાવી. તેમના વસવાટ અંગેના ચોક્કસ સમયો અને સ્થળો તેમણે પોતે અગાઉથી નક્કી કર્યાં હતાં. તેમણે એટલા માટે એવું કર્યું કે પ્રજાઓ તેમની શોધ કરે અને તેમની હાજરીનો અનુભવ કરતાં કદાચ તેમને પ્રાપ્ત કરે. છતાં હકીક્તમાં ઈશ્વર આપણામાંનાં કોઈથી દૂર નથી. જેમ કોઈકે કહ્યું છે તેમ, ‘તેમનામાં આપણે જીવીએ છીએ, હરીએફરીએ છીએ અને આપણું અસ્તિત્વ ધરાવીએ છીએ.’ વળી, તમારા કવિઓમાંથી જ કોઈકે કહ્યું છે, ‘આપણે તેમનાં જ સંતાનો છીએ.’ “આપણે ઈશ્વરનાં સંતાન હોવાથી એવું ન ધારવું જોઈએ કે માણસે પોતાની કલ્પના અને કળાકૌશલ્યથી બનાવેલી સોના, રૂપા કે પથ્થરમાંથી ઘડેલી પ્રતિમા જેવું તેમનું સ્વરૂપ છે. માણસના અજ્ઞાનપણાના સમયોમાં ઈશ્વરે એ ચલાવી લીધું, પણ હવે તે સર્વ જગ્યાએ વસતા માણસોને પોતાના બધા દુષ્ટ માર્ગોથી પાછા ફરવા આજ્ઞા કરે છે. કારણ, તેમણે પસંદ કરેલા એક માણસ દ્વારા આખી દુનિયાનો અદલ ન્યાય કરવા માટે તેમણે એક દિવસ નક્કી કર્યો છે. એ માણસને મરણમાંથી સજીવન કરીને તેમણે સૌની સમક્ષ એ વાતની સાબિતી આપી છે.” મરણમાંથી સજીવન થવા અંગે પાઉલને બોલતો સાંભળીને કેટલાકે તેની મશ્કરી ઉડાવી. પણ કેટલાકે કહ્યું, “આ અંગે ફરીથી અમે તારી પાસેથી સાંભળવા માગીએ છીએ.” એમ પાઉલ સભામાંથી જતો રહ્યો. કેટલાક માણસો તેની સાથે જોડાયા અને વિશ્વાસ કર્યો; તેમાં એરિયોપાગસનો સભ્ય ડાયનીસીયસ, હેમેરિયસ નામની એક સ્ત્રી અને બીજા કેટલાક હતા. એ પછી પાઉલ એથેન્સથી નીકળીને કોરીંથ આવ્યો. ત્યાં પોંતસમાં જન્મેલા આકુલા નામના એક યહૂદી સાથે તેને મુલાકાત થઈ. તે થોડા જ સમય પર તેની પત્ની પ્રિસ્કીલા સાથે ઇટાલીથી આવ્યો હતો; કારણ, સમ્રાટ કલોડીયસે બધા યહૂદીઓને રોમમાંથી ચાલ્યા જવાનો હુકમ કર્યો હતો. પાઉલ તેમને મળવા ગયો. પછી તેમને ત્યાં રહી તેમની સાથે તે પણ તંબુ બનાવીને પોતાની આજીવિકા મેળવતો હતો. તે દર વિશ્રામવારે ભજનસ્થાનમાં ચર્ચા કરતો અને યહૂદીઓ તેમજ ગ્રીકોને પોતાના સંદેશની ખાતરી કરાવવાનો પ્રયત્ન કરતો. સિલાસ અને તિમોથી મકદોનિયાથી આવ્યા એટલે પાઉલે યહૂદીઓ સમક્ષ ઈસુ એ જ મસીહ છે એવી સાક્ષી આપવામાં પોતાનો પૂરો સમય ગાળ્યો. જ્યારે તેમણે તેનો વિરોધ કર્યો અને તેના સંબંધી ખોટી વાતો કહી ત્યારે પોતાનાં કપડાં પરથી ધૂળ ખંખેરતા પાઉલે તેમનો વિરોધ કર્યો અને કહ્યું, “તમારા વિનાશ માટે તમે જ જવાબદાર છો, હું નહિ; હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.” તેથી તે તેમને મૂકીને ઈશ્વરભક્ત તિતસ યુસ્તસ નામના એક બિનયહૂદીને ઘેર રહ્યો; તેનું ઘર ભજનસ્થાનની પાસે હતું. ભજનસ્થાનના આગેવાન ક્રિસ્પસે તથા તેના કુટુંબે વિશ્વાસ કર્યો. કોરીંથના બીજા ઘણા લોકોએ સંદેશો સાંભળીને વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા. એક રાત્રે પાઉલને સંદર્શન થયું. પ્રભુએ તેમાં તેને કહ્યું, “ગભરાઈશ નહિ, પણ બોલતો રહેજે અને શાંત ના રહેતો. કારણ, હું તારી સાથે છું. કોઈ તને કંઈ ઇજા કરશે નહિ, કારણ, આ શહેરમાં મારા ઘણા લોક છે.” તેથી પાઉલ ત્યાં દોઢ વર્ષ રહ્યો અને લોકોને ઈશ્વરના વચનનો બોધ કર્યો. ગાલિયો ગ્રીસનો રોમન રાજ્યપાલ બન્યો ત્યારે યહૂદીઓએ એકત્ર થઈને પાઉલને પકડયો અને તેને કોર્ટમાં લઈ ગયા. તેમણે કહ્યું, “આ માણસ નિયમશાસ્ત્રથી જુદી રીતે ઈશ્વરનું ભજન કરવા લોકોને સમજાવે છે.” પાઉલ બોલવા જતો હતો એવામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું, “કોઈ ગુનો કે દુષ્ટ કાર્ય કરવા અંગેની આ બાબત નથી. જો તેમ હોત તો મારે યહૂદીઓનું સાંભળવું યોગ્ય હતું. પણ આ તો ફક્ત શબ્દો, નામ અને તમારા પોતાના નિયમશાસ્ત્ર સંબંધીની વાત છે, તેથી તમારે પોતે તેનો નિકાલ કરવો જોઈએ.” પછી તેણે તેમને કોર્ટમાંથી બહાર હાંકી કાઢયા. તેઓ સૌએ ભજનસ્થાનના અધિકારી સોસ્થેનેસને કોર્ટની આગળ જ માર માર્યો. પણ ગાલિયોએ એ પ્રત્યે કંઈ ધ્યાન આપ્યું નહિ. પાઉલ ભાઈઓ સાથે કોરીંથમાં ઘણા દિવસ રહ્યો અને પછી પ્રિસ્કીલા તથા આકુલાને લઈને ત્યાંથી જળમાર્ગે સિરિયા જવા ઊપડયો. વહાણમાં ઊપડતાં પહેલાં તેણે માનતા લીધી હોવાથી કેંખ્રિયામાં પોતાના માથાના વાળ ઉતરાવ્યા. એફેસસમાં આવી પહોંચતાં પાઉલ પ્રિસ્કીલા તથા આકુલાથી છૂટો પડયો. ભજનસ્થાનમાં જઈને તેણે યહૂદીઓ સાથે ચર્ચા કરી. તેમણે તેને તેમની સાથે વધારે સમય રહેવા કહ્યું, પણ તેણે માન્યું નહિ. એને બદલે, જતાં જતાં તેણે તેમને કહ્યું, “ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ.” અને એમ તે એફેસસથી જળમાર્ગે આગળ ગયો. કાઈસારિયા આવી પહોંચ્યા પછી તે યરુશાલેમ આવ્યો અને મંડળીને શુભેચ્છા પાઠવીને અંત્યોખ ગયો. ત્યાં થોડો સમય રહ્યા પછી તે ચાલી નીકળ્યો. બધા વિશ્વાસીઓને દઢ કરતો કરતો તે ગલાતિયા અને ફ્રુગિયાના પ્રદેશમાં ફર્યો. એલેકઝાંડ્રિયામાં જન્મેલો આપોલસ નામનો એક યહૂદી એફેસસમાં આવ્યો. તે છટાદાર વક્તા અને ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસી હતો. તેને પ્રભુના માર્ગમાં ચાલવાનું શિક્ષણ મળેલું હતું. તે ખૂબ ઉત્સાહથી બોલતો હતો અને ઈસુ સંબંધીની વાતો ચોક્સાઈપૂર્વક શીખવતો હતો. છતાં તે માત્ર યોહાનના બાપ્તિસ્મા વિશે જાણતો હતો. તે ભજનસ્થાનમાં હિંમતપૂર્વક બોલવા લાગ્યો. પ્રિસ્કીલા અને આકુલા તેનું સાંભળીને તેને તેમને ઘેર લઈ ગયા અને તેને ઈશ્વરના માર્ગ સંબંધી વધારે ચોક્સાઈપૂર્વક સમજ આપી. આપોલસે ગ્રીસ જવાનો નિર્ણય કર્યો હોવાથી ત્યાં તેનો આદરસત્કાર થાય તે માટે એફેસસના વિશ્વાસીઓએ ગ્રીસમાં વસતા શિષ્યો પર પત્ર લખીને તેને મદદ કરી. તે ત્યાં આવી પહોંચ્યો અને જેઓ ઈશ્વરની કૃપાથી વિશ્વાસીઓ બન્યા હતા તેમને ખૂબ જ મદદર્ક્તા થઈ પડયો. કારણ, ઈસુ એ જ મસીહ છે એવું ધર્મશાસ્ત્રમાંથી સાબિત કરીને ઉગ્ર દલીલો દ્વારા તેણે યહૂદીઓને જાહેર ચર્ચામાં હરાવ્યા. આપોલસ કોરીંથમાં હતો ત્યારે પાઉલ આસિયા પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં ફરીને એફેસસમાં આવી પહોંચ્યો. ત્યાં તેને કેટલાક શિષ્યો મળ્યા. તેણે તેમને પૂછયું, “તમે વિશ્વાસ કર્યો ત્યારે તમને પવિત્ર આત્મા મળ્યો હતો?” તેમણે જવાબ આપ્યો, “પવિત્ર આત્મા છે એવું અમે સાંભળ્યું પણ નથી.” પાઉલે પૂછયું, “તો પછી તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?” તેમણે જવાબ આપ્યો, “યોહાનનું બાપ્તિસ્મા.” પાઉલે કહ્યું, “પોતાનાં પાપથી પાછા ફરનારાઓ માટે યોહાનનું બાપ્તિસ્મા હતું; અને તેણે ઇઝરાયલી લોકોને તેના પછીથી આવનાર ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવાનું કહ્યું હતું.” એ સાંભળ્યા પછી તેઓ પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા. પાઉલે તેમના પર પોતાના હાથ મૂક્યા, ત્યારે પવિત્ર આત્મા તેમના પર આવ્યો; તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા અને ઈશ્વરનો સંદેશ પણ પ્રગટ કરવા લાગ્યા, તેઓ બધા મળીને બાર પુરુષો હતા. ત્રણ માસ સુધી પાઉલે ભજનસ્થાનમાં જઈને લોકોની સાથે ચર્ચા કરી અને ઈશ્વરના રાજ સંબંધી ખાતરી કરાવવા તેમની સાથે હિંમતપૂર્વક બોલ્યો. પણ તેમાંના કેટલાક જડ હતા અને તેઓ વિશ્વાસ ન કરતાં આખી સંગતની સમક્ષ પ્રભુના માર્ગની નિંદા કરતા. તેથી પાઉલ તેમને મૂકીને શિષ્યોને પોતાની સાથે લઈને જતો રહ્યો. તે દરરોજ તુરેન્‍નસના સભાગૃહમાં ચર્ચા કરતો. આવું બે વર્ષ સુધી ચાલ્યું; અને તેથી આસિયા પ્રદેશમાં વસતા યહૂદી અને બિનયહૂદી સૌએ પ્રભુનો સંદેશ સાંભળ્યો. ઈશ્વર પાઉલ દ્વારા અસાધારણ ચમત્કારો કરતા હતા. પાઉલે વાપરેલા હાથરુમાલ અને ટુવાલ પણ બીમાર માણસો પાસે લઈ જવામાં આવતા અને તેમના રોગ મટી જતા અને તેમનામાંથી દુષ્ટાત્માઓ નીકળી જતા. કેટલાક યહૂદીઓ અહીંતહીં ફરતા અને દુષ્ટાત્માઓ કાઢવા માટે તેમણે પ્રભુ ઈસુના નામનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો. તેઓ દુષ્ટાત્માઓને કહેતા, “પાઉલ જેને પ્રગટ કરે છે એ ઈસુને નામે હું હુકમ કરું છું.” સ્કેવા નામના એક યહૂદી પ્રમુખ યજ્ઞકારના સાત પુત્રો આવું કરતા હતા. પણ દુષ્ટાત્માએ તેમને કહ્યું, “ઈસુને હું ઓળેખું છું અને પાઉલ વિષે હું જાણું છું, પણ તમે કોણ છો?” દુષ્ટાત્મા વળગેલા માણસે તેમના પર ભયંકર હુમલો કરીને તેમને હરાવ્યા. તેથી તેઓ ઘવાઈને નિર્વ ઘરમાંથી નાઠા. એફેસસમાં વસતા બધા યહૂદીઓ અને બિનયહૂદીઓએ એ વિષે સાંભળ્યું; તેઓ સૌ ગભરાયા અને પ્રભુ ઈસુના નામને વિશેષ માન મળ્યું. ઘણા વિશ્વાસીઓએ આવીને પોતાનાં દુષ્કૃત્યોની જાહેરમાં કબૂલાત કરી. જાદુવિદ્યા કરનારાઓએ તેમનાં પુસ્તકો એકઠાં કરીને બધાની હાજરીમાં બાળી નાખ્યાં. તેમણે એ પુસ્તકોનું મૂલ્ય આંકાયું તો તે ચાંદીના પચાસ હજાર સિક્કા જેટલું થયું. આમ પ્રભુના સંદેશનો પ્રચાર વધતો ગયો અને પ્રબળ થતો ગયો. એ બનાવો બન્યા પછી પાઉલે મકદોનિયા અને ગ્રીસમાં થઈને યરુશાલેમ જવાનો નિર્ણય કર્યો. તેણે કહ્યું, “ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ.” તેથી તેણે પોતાના બે મદદનીશો તિમોથી અને એરાસ્તસને મકદોનિયા મોકલ્યા, જ્યારે પોતે આસિયાના પ્રદેશમાં થોડો વધુ સમય રહ્યો. આ જ સમયે પ્રભુના માર્ગને લીધે એફેસસમાં ભારે હુલ્લડ થયું. દેમેત્રિયસ નામનો એક સોની આર્તેમિસ દેવીના મંદિરના ચાંદીના નમૂના બનાવતો હતો. એના ધંધાથી ઘણા કારીગરોને લાભ થતો. તેથી તેણે એ બધાને અને તેમની સાથે તેમના જેવું ક્મ કરનારાઓને એકત્ર કર્યા, અને કહ્યું, “ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધા પર આપણી આબાદીનો આધાર છે. આ પાઉલ શું કરી રહ્યો છે તે તમે તમારી જાતે જુઓ છો અને સાંભળો છો. તે કહે છે કે માણસોએ બનાવેલા દેવો તો દેવો જ નથી અને અહીં એફેસસમાં તેમ જ લગભગ આખા આસિયા પ્રદેશમાં ઘણા લોકોને એવું સમજાવવામાં તે સફળ થયો છે. તેથી આપણો ધંધો બદનામ થવાનો મોટો ભય રહેલો છે. એટલું જ નહિ, પણ આસિયા તેમ જ આખી દુનિયામાં જેની ભક્તિ થાય છે એ મહાન દેવી આર્તેમિસના મંદિરનું કંઈ મહત્ત્વ રહેશે નહિ અને તેનો સર્વ મહિમા ખતમ થઈ જાય એવો ભય પણ છે!” આ શબ્દો સાંભળીને ટોળું ક્રોધે ભરાયું અને પોકારવા લાગ્યું, “આર્તેમિસ દેવીની જય!” આખા શહેરમાં ધાંધલ મચ્યું, લોકોનાં ટોળાએ પાઉલની સાથે ફરનારા ગાયસ અને આરિસ્તાર્ખસ નામના મકદોનિયાના બેને પકડયા અને તેઓ તેમને લઈને સભાગૃહમાં ધસ્યા. પાઉલ પોતે ટોળા સમક્ષ જવા માગતો હતો. પણ વિશ્વાસીઓએ તેને જવા દીધો નહિ. કેટલાક જિલ્લા અધિકારીઓ પાઉલના મિત્રો હતા. તેમણે પણ તેના પર આગ્રહપૂર્વક ખબર મોકલાવી કે તારે સભાગૃહમાં હાજર થવું નહિ. દરમ્યાનમાં, આખી સભામાં ધાંધલ થઈ રહ્યું: કેટલાક લોકો કંઈક પોકારતા હતા, જ્યારે બીજા કેટલાક બીજું કંઈક પોકારતા હતા. કારણ, તેમાંના કેટલાક તો તેઓ શા માટે એકત્ર થયા છે એ પણ જાણતા ન હતા. કેટલાક લોકોએ માની લીધું કે આ બધા માટે એલેકઝાંડર જવાબદાર હતો. કારણ, યહૂદીઓએ તેને આગળ મોકલ્યો. પછી એલેકઝાંડરે હાથથી ઇશારો કરીને લોકો સમક્ષ બચાવ અર્થે બોલવા પ્રયત્ન કર્યો. પણ જ્યારે તેમને ખબર પડી કે તે યહૂદી છે ત્યારે તેમણે બે કલાક સુધી એક જ સૂત્ર પોકાર્યા કર્યું: “બોલો, એફેસસની આર્તેમિસ દેવીની જય!” અંતે શહેરનો અધિકારી ટોળાને શાંત પાડી શક્યો. તેણે કહ્યું, “એફેસસવાસીઓ! એફેસસમાં મહાન આર્તેમિસ દેવીનું મંદિર અને આકાશમાંથી પડેલી તેની પ્રતિમા છે એ સૌ કોઈ જાણે છે. કોઈ આ બાબતોનો નકાર કરી શકે તેમ નથી. તેથી તમારે શાંત થવું જોઈએ અને વગર વિચાર્યું કંઈ કરવું જોઈએ નહિ. આ માણસોએ મંદિરો લૂંટયાં નથી, કે નથી આપણી દેવીની નિંદા કરી; તો પણ તમે તેમને અહીં લાવ્યા છો. દેમેત્રિયસ અને તેના કારીગરોને કોઈના પર આરોપ મૂકવાનો હોય, તો કોર્ટ નિયત દિવસોએ ચાલે છે અને સત્તાધિકારીઓ પણ છે; તેઓ ત્યાં એકબીજા પર ફરિયાદ કરી શકે છે. પણ તમારી માગણી એથી વિશેષ હોય તો તેનો નિર્ણય નાગરિકોની ક્યદેસરની સભામાં જ થઈ શકે. કારણ, આજે જે બન્યું છે તેથી આપણા પર હુલ્લડનો આરોપ આવે એવો ભય છે. આ ધાંધલ માટે કોઈ બહાનું નથી, અને આ ધાંધલ માટે કોઈ યોગ્ય કારણ આપણે આપી શકવાના નથી. એમ કહ્યા પછી તેણે સભા સમાપ્ત કરી. હુલ્લડ શમી ગયા પછી પાઉલે વિશ્વાસીઓને એકત્રિત કર્યા, અને તેમને ઉત્તેજનદાયક વચનો કહીને તેમની વિદાય લીધી. પછી તે ત્યાંથી નીકળીને મકદોનિયા ગયો. એ પ્રદેશોમાં ફરીને તેણે લોકોને ઘણા સંદેશા આપીને પ્રોત્સાહિત કર્યા. પછી તે ગ્રીસ આવ્યો. ત્યાં તે ત્રણ માસ રહ્યો. તે સિરિયા જવાની તૈયારી કરતો હતો ત્યારે ખબર પડી કે યહૂદીઓ તેની વિરુદ્ધ કાવતરું ઘડતા હતા. તેથી તેણે મકદોનિયા થઈને પાછા જવાનો નિર્ણય કર્યો. બેરિયાના વતની પુર્હસનો પુત્ર સોપાતર તેની સાથે ગયો; એ જ પ્રમાણે, થેસ્સાલોનિકાથી આરિસ્તાર્ખસ અને સિકુંદસ; દેર્બેથી ગાયસ; તિમોથી તથા આસિયા પ્રદેશમાંથી તુખીક્સ અને ત્રોફિમસ પણ હતા. તેઓ અમારી અગાઉ ત્રોઆસ જઈ અમારી રાહ જોતા હતા. ખમીર વગરની રોટલી ખાવાના પર્વ પછી અમે જળમાર્ગે ફિલિપ્પી ગયા, અને પાંચ દિવસ પછી તેમને ત્રોઆસમાં મળ્યા, અને ત્યાં એક સપ્તાહ રહ્યા. સપ્તાહને પ્રથમ દિવસે અમે રોટલી ભાંગવાને એકઠા થયા. પાઉલે લોકો સમક્ષ સંદેશો આપ્યો અને મધરાત સુધી બોલવાનું ચાલુ રાખ્યું. કારણ, તે બીજે દિવસે ત્યાંથી જવાનો હતો. અમે જ્યાં મળતા હતા ત્યાં ઉપલે માળે ઘણા દીવા હતા. યુતુખસ નામનો એક યુવાન બારીમાં બેઠો હતો. પાઉલે ભાષણ લંબાવ્યું તેથી યુતુખસને ઊંઘ ચઢી અને ભારે ઊંઘમાં ઘેરાઈ જતાં તે ત્રીજે માળેથી જમીન પર પટક્યો. તેમણે તેને ઊંચક્યો ત્યારે તે મરેલો માલૂમ પડયો. પણ પાઉલ નીચે ગયો, અને તેના પર પડીને તેને ઢંઢોળ્યો. તેણે કહ્યું, “ચિંતા ન કરશો, તે જીવે છે!” પછી પાઉલ ઉપલે માળે ગયો અને રોટલી ભાંગીને ખાધા પછી લાંબો સમય એટલે સૂર્યોદય થતાં સુધી તેમની સાથે વાતો કરીને પાઉલ ચાલી નીકળ્યો. તેઓ તે યુવાનને જીવતો ઘેર લઈ ગયા, અને પુષ્કળ દિલાસો પામ્યા. અમે આગળ જઈ વહાણમાં બેઠા અને જળમાર્ગે આસોસ ગયા. ત્યાંથી અમે પાઉલને વહાણમાં લેવાના હતા. તેણે અમને એમ કરવાનું કહ્યું હતું, કારણ, તે ત્યાં જમીનમાર્ગે જવાનો હતો. તે અમને આસોસમાં મળ્યો એટલે તેને વહાણમાં લઈને અમે મિતુલેને ગયા. ત્યાંથી અમે વહાણ હંકાર્યું અને બીજે દિવસે ખીઓસ પહોંચ્યા. એક દિવસ પછી અમે સામોસ આવ્યા અને પછી બીજે દિવસે મિલેતસ આવી પહોંચ્યા. પાઉલે એફેસસને ટાળીને વહાણમાં જવાનો નિર્ણય કર્યો; જેથી આસિયાના પ્રદેશમાં જરા પણ સમય બગડે નહિ. શકાય હોય તો પચાસમાના પર્વના દિવસ પહેલાં તે યરુશાલેમ પહોંચી જવાની ઉતાવળમાં હતો. પાઉલે મિલેતસથી એફેસસ સંદેશો મોકલ્યો કે મંડળીના આગેવાનો તેને મળવા આવે. તે આવ્યા એટલે તેણે કહ્યું, “આસિયા પ્રદેશમાં હું પ્રથમવાર આવ્યો ત્યારથી તમારી સાથેનો પૂરો સમય મેં કેવી રીતે ગાળ્યો તે તમે જાણો છો. યહૂદીઓના કાવતરાંને કારણે કપરા સમયોમાં થઈને પસાર થતાં પ્રભુના સેવક તરીકે મેં મારું સેવાકાર્ય પૂરી નમ્રતા અને ઘણાં આંસુઓ સાથે કર્યું છે. તમે જાણો છો કે જાહેરમાં અથવા તમારાં ઘરોમાં ઉપદેશ કરતાં કે શિક્ષણ આપતાં તમને મદદર્ક્તા નીવડે એવું કંઈપણ મેં તમારાથી પાછું રાખ્યું નથી. યહૂદી અને બિનયહૂદી બધાને એક સરખી રીતે મેં ગંભીર ચેતવણી આપી કે તેમણે પોતાનાં પાપથી વિમુખ થઈ ઈશ્વર તરફ ફરવું, અને આપણા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવો. અને હવે, પવિત્ર આત્માને આધીન થઈને મારું શું થશે એ જાણ્યા વગર હું યરુશાલેમ જઉં છું. હું માત્ર એટલું જ જાણું છું કે પ્રત્યેક શહેરમાં પવિત્ર આત્મા મને ચેતવણી આપે છે કે બંદીવાસ તથા સંકટો મારી રાહ જુએ છે. “હું મારું સેવાકાર્ય સંપૂર્ણ કરું અને પ્રભુ ઈસુએ મને સોંપેલું કાર્ય પૂરું કરું તે માટે હું મારા જીવને પણ વહાલો ગણતો નથી. એ કાર્ય તો ઈશ્વરની કૃપાનો શુભસંદેશ જાહેર કરવાનું છે. “ઈશ્વરના રાજનો ઉપદેશ કરતાં કરતાં હું તમ સર્વ મયે ફર્યો છું. અને હવે હું જાણું છું કે તમારામાંનો કોઈ મને ફરી જોશે નહિ. તેથી હું આજે જ આ વાત ગંભીરપણે જાહેર કરું છું! જો તમારામાંના કોઈનો નાશ થાય તો હું જવાબદાર નથી. તમને ઈશ્વરનો સમગ્ર ઉદ્દેશ જણાવવામાં મેં કંઈ બાકી રાખ્યું નથી. તમારી પોતાની તેમ જ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી, જેને તેમણે પોતાના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો. હું જાણું છું કે મારા ગયા પછી તમારી મયે ક્રૂર વરુઓ આવશે, અને ટોળાનો નાશ કરશે. એવો સમય આવશે કે જ્યારે તમારી પોતાની જ સંગતના માણસો કેટલાક વિશ્વાસીઓને પોતાની પાછળ દોરી જવા જુઠ્ઠું બોલશે. તેથી સાવધ રહેજો અને યાદ રાખજો કે રાતદિવસ ઘણાં આંસુઓ સારીને મેં તમ સર્વને ત્રણ વર્ષ સુધી શિક્ષણ “અને હવે હું તમને ઈશ્વરને તેમ જ તેમની કૃપાના સંદેશને સોંપું છું. તે તમારું ઘડતર કરવાને અને તેના અલગ કરાયેલા સર્વ લોકો માટે રાખી મૂકેલી આશિષો આપવાને સમર્થ છે. મેં કોઈના સોનારૂપાનો કે કીમતી વસ્ત્રનો લોભ રાખ્યો નથી. તમે પોતે જાણો છો કે મારા પોતાના હાથોથી ક્મ કરીને મેં મારા સાથીદારોની તેમ જ મારી જરૂરિયાતો પૂરી પાડી છે. આ રીતે સખત ક્મ કરીને મેં બધી વાતે બતાવી આપ્યું છે કે, ‘દાન પામવા કરતાં આપવામાં વિશેષ ધન્યવાદ છે.” એ પ્રભુ ઈસુના પોતાના શબ્દો યાદ રાખીને આપણે નિર્બળોને સહાય કરવી જોઈએ.’ પાઉલ બોલી રહ્યો એટલે બધાની સાથે તેણે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી. સૌ તેને ભેટીને ચુંબન કરી વિદાય આપતાં રડતા હતા. ખાસ કરીને, તેઓ તેને ફરી કદી નહિ જુએ એવા એના શબ્દોને કારણે તેઓ દુ:ખી થયા. અને એમ તેઓ તેને વળાવવા વહાણ સુધી ગયા. તેમની વિદાય લઈને અમે ચાલી નીકળ્યા, અમે વહાણમાં બેસી સીધા કોસ પહોંચ્યા; બીજે દિવસે અમે રોડેસ પહોંચ્યા, અને ત્યાંથી પાતારા ગયા. ત્યાંથી અમને ફોનેસિયા જતું વહાણ મળ્યું; તેથી અમે વહાણમાં બેસીને હંકારી ગયા. સાયપ્રસ દેખાયું એટલે તેની દક્ષિણ તરફ સિરિયા બાજુ વહાણ હંકાર્યું. અમે તૂરના સમુદ્રકિનારે પહોંચ્યા. ત્યાં વહાણમાંથી સામાન ઉતારવાનો હતો. ત્યાં અમને થોડા વિશ્વાસીઓ મળ્યા, અને અમે તેમની સાથે એક સપ્તાહ રહ્યા. પવિત્ર આત્માની પ્રેરણાથી તેમણે પાઉલને યરુશાલેમ ન જવા જણાવ્યું. પણ તેમની સાથેનો અમારો સમય પૂરો થતાં, અમે તેમની પાસેથી અમારે રસ્તે પડયા. તેઓ બધા તેમની સ્ત્રીઓ તેમ જ બાળકો સહિત અમારી સાથે શહેર બહાર આવ્યા. અમે બધાએ સમુદ્રકિનારે ધૂંટણે પડીને પ્રાર્થના કરી. પછી અમે એકબીજાને ભેટયા અને વિદાય લઈને વહાણમાં બેઠા, અને તેઓ પાછા ઘેર ગયા. અમે અમારી દરિયાઈ મુસાફરી ચાલુ રાખતાં તૂરથી ટોલેમાઈસ ગયા. ત્યાં ભાઈઓને મળીને તેમને શુભેચ્છા પાઠવી અને તેમની સાથે એક દિવસ રહ્યા. ત્યાંથી નીકળીને અમે બીજે દિવસે કાઈસારિયા આવી પહોંચ્યા. ત્યાં અમે સુવાર્તિક ફિલિપને ઘેર રહ્યા. યરુશાલેમમાં જે સાત સેવકો પસંદ કરવામાં આવ્યા હતા તેઓમાંનો તે એક હતો. તેને ચાર કુંવારી દીકરીઓ હતી. તેઓ ઈશ્વરની સંદેશવાહિકાઓ હતી. અમે ત્યાં કેટલાક દિવસ રહ્યા એવામાં યહૂદિયાથી આગાબાસ નામનો સંદેશવાહક આવ્યો. તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરપટ્ટો લીધો અને તેનાથી પોતાના હાથપગ બાંધીને કહ્યું, “પવિત્ર આત્મા આમ કહે છે: જે માણસનો આ કમરપટ્ટો છે તેને યરુશાલેમમાં યહૂદીઓ આ રીતે બાંધીને બિનયહૂદીઓને સુપરત કરશે.” એ સાંભળીને અમે અને ત્યાંના બીજા માણસોએ પાઉલને યરુશાલેમ ન જવા વિનંતી કરી. પણ તેણે જવાબ આપ્યો, “તમે આ શું કરો છો? રોકકળ કરીને મારું હૃદય કેમ ભાંગી નાખો છો? યરુશાલેમમાં માત્ર બંધાવાને જ નહિ, પણ પ્રભુ ઈસુને માટે મરવાને પણ હું તૈયાર છું.” અમે તેને સમજાવી શક્યા નહિ, તેથી અમે સમજાવવાનું પડતું મૂકાયું અને કહ્યું, “પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ.” ત્યાં થોડો સમય રહ્યા પછી અમે તૈયારી કરી અને યરુશાલેમ જવા ઊપડયા. કાઈસારિયાથી કેટલાક શિષ્યો અમારી સાથે આવ્યા અને અમારે જેને ત્યાં ઊતરવાનું હતું તે સાયપ્રસના માસોનને ત્યાં લઈ ગયા. માસોન તો શરૂઆતના સમયથી જ વિશ્વાસી હતો. અમે યરુશાલેમ આવી પહોંચ્યા એટલે ભાઈઓએ અમારો ઉમળક્ભેર સત્કાર કર્યો. બીજે દિવસે પાઉલ અમને લઈને યાકોબને મળવા ગયો; મંડળીના સર્વ આગેવાનો હાજર હતા. પાઉલે તેમને શુભેચ્છા પાઠવી બિનયહૂદીઓ મયેના સેવાકાર્યનો પૂરો હેવાલ તેમને આપ્યો. તેનું સાંભળી રહ્યા પછી તેઓ બધાએ ઈશ્વરની સ્તુતિ કરી. પછી તેમણે પાઉલને કહ્યું, “ભાઈ, વાત આમ છે. હજારો યહૂદીઓ વિશ્વાસી બન્યા છે અને તેઓ બધા નિયમશાસ્ત્રમાં ખૂબ આસ્થા ધરાવે છે. તારા વિષે તેમણે સાંભળ્યું છે કે બિનયહૂદી દેશોમાં રહેતા યહૂદીઓને તેમનાં બાળકોને સુન્‍નત કરાવવાની અને યહૂદી રીતરિવાજો અનુસરવાની ના પાડીને તું તેમને મોશેના નિયમશાસ્ત્રનો ત્યાગ કરવાનું શીખવી રહ્યો છે. તું અહીં આવ્યો છે તેની યહૂદીઓને અચૂક જાણ થશે. તો હવે શું કરવું? અમે કહીએ તે કર. અહીં ચાર માણસોએ માનતા લીધી છે. તું તેમની સાથે જા, તેમના શુદ્ધિકરણની ક્રિયામાં તું પણ ભાગ લે અને તેમનો ખર્ચ ઉઠાવ; પછી તેઓ તેમના માથાના વાળ કપાવી શકશે. આમ, બધાને એમ ખબર પડશે કે તારા વિષે તેમણે જે સાંભળ્યું છે તેમાં કંઈ તથ્ય નથી, પણ તું તો મોશેના નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે. છતાં બિનયહૂદીઓમાંથી વિશ્વાસી બનેલાઓને તો તેમણે મૂર્તિઓને અર્પેલો કંઈ ખોરાક ખાવો નહિ, રક્તપાન કરવું નહિ, ગૂંગળાવીને મારી નાખેલું પ્રાણી ખાવું નહિ અને પોતાને વ્યભિચારથી દૂર રાખવા એવો નિર્ણય અમે કરેલો છે, અને તેવો પત્ર અમે પાઠવ્યો છે.” તેથી પાઉલ એ માણસોને લઈને ગયો અને બીજે દિવસે તેમની સાથે શુદ્ધિકરણની ક્રિયા કરી. પછી તે મંદિરમાં ગયો અને શુદ્ધિકરણનો સમય કેટલા દિવસ પછી પૂરો થશે અને ત્યારે એમાંના પ્રત્યેકને માટે ક્યારે બલિદાન કરવામાં આવશે તેની તેણે ત્યાં જાહેરાત કરી. સાત દિવસ પૂરા થવાની તૈયારીમાં હતા તેવામાં આસિયામાંથી આવેલા કેટલાક યહૂદીઓએ પાઉલને મંદિરમાં જોયો. તેમણે લોકોના આખા ટોળાને ઉશ્કેર્યું અને પાઉલને પકડયો. તેમણે પોકાર કર્યો, “હે ઇઝરાયલીઓ, આવો. મોશેના નિયમશાસ્ત્ર વિરુદ્ધ અને આ મંદિરની વિરુદ્ધ સર્વ જગ્યાએ શીખવતો ફરતો માણસ તે આ જ છે; અને હવે થોડા બિનયહૂદીઓને મંદિરમાં લાવીને તેણે આ પવિત્ર સ્થાનને અભડાવ્યું છે!” તેમણે એવું કહ્યું કારણ, તેમણે ત્રોફીમસને પાઉલની સાથે એફેસસમાં જોયો હતો, અને તેમણે ધાર્યું કે પાઉલ તેને મંદિરમાં લાવ્યો હશે. આખા શહેરમાં ધાંધલ મચી ગયું. બધા લોકો દોડી આવ્યા અને પાઉલને મંદિરની બહાર ઢસડી ગયા. તરત જ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. ટોળું પાઉલને મારી નાખવાનો પ્રયાસ કરતું હતું એવામાં રોમન લશ્કરી ટુકડીના અફસરને ખબર પહોંચી કે આખા યરુશાલેમમાં હુલ્લડ ફાટી નીકળ્યું છે. પોતાની સાથે કેટલાક અધિકારીઓ અને સૈનિકોને લઈને અફસર તરત જ ટોળા પાસે પહોંચી ગયો. તેની સાથે સૈનિકોને જોઈને લોકો પાઉલને મારતા અટકી ગયા. અફસરે પાઉલ પાસે જઈને તેની ધરપકડ કરી અને તેને બે સાંકળોથી બાંધી દેવા હુકમ કર્યો. પછી તેણે પૂછયું, “આ માણસ કોણ છે? તેણે શુ કર્યું છે?” ટોળામાંના કેટલાકે આમ વાત કરી તો કેટલાકે તેમ વાત કરી. એવી ગેરસમજ વ્યાપી ગઈ કે ખરેખર શુ બન્યું હતું તેની અફસરને ખબર પડી નહિ; તેથી પાઉલને કિલ્લામાં લઈ જવા તેણે પોતાના માણસોને હુકમ કર્યો. તેઓ તેની સાથે પગથિયાં સુધી ગયા અને ટોળું વીફર્યું હોવાથી સૈનિકોએ પાઉલને ઊંચકી લેવો પડયો. તેઓ બધા તેની પાછળ બૂમો પાડતા આવતા હતા, “તેને ખતમ કરો!” તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા ત્યારે તેણે અફસરને કહ્યું, “મારે તમને કંઈક કહેવું છે.” અફસરે પૂછયું, “તું ગ્રીક બોલે છે! તો પછી કેટલાક સમય પહેલાં બળવો પોકારીને ચારસો શસ્ત્રસજ્જ બળવાખોરોને વેરાનપ્રદેશમાં લઈ જનાર પેલો ઇજિપ્તી તો તું નથી ને?” પાઉલે જવાબ આપ્યો, “હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો યહૂદી છું, અને એ અગ્રગણ્ય શહેરનો નાગરિક છું. મને લોકો આગળ બોલવા દો.” અફસરે તેને પરવાનગી આપી એટલે પાઉલ પગથિયાં પર ઊભો રહ્યો અને લોકોને શાંત રહેવા હાથથી ઇશારો કર્યો. લોકો શાંત પડયા એટલે પાઉલ તેમની સાથે હિબ્રૂ ભાષામાં બોલ્યો: “ભાઈઓ અને આગેવાનો, હું તમારી સમક્ષ મારો બચાવ રજૂ કરું છું. સાંભળો!” તેણે હિબ્રૂ ભાષામાં બોલવાનું શરૂ કર્યું એટલે તેઓ વધારે શાંત રહ્યા. પછી પાઉલે કહ્યું, “હું પણ યહૂદી છું. હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો અને ગમાલીએલના વિદ્યાર્થી તરીકે અહીં યરુશાલેમમાં જ ઉછરેલો છું. આપણા પૂર્વજોના નિયમશાસ્ત્રનું મને ચુસ્ત શિક્ષણ મળ્યું હતું, અને તમારી જેમ જ હું પણ ઈશ્વરને માટે ધર્મઝનૂની હતો. મેં આ ઈસુપંથીઓને મારી નાખવા સુધી તેમની સતાવણી કરી હતી. સ્ત્રીપુરુષોની ધરપકડ કરીને મેં તેમને જેલમાં નાખ્યા હતા. હું જે કહું છું તે સાચું છે તેનું સમર્થન પ્રમુખ યજ્ઞકાર તેમ જ આખી ન્યાયસભા આપી શકે તેમ છે. મેં તેમની પાસે દમાસ્ક્સમાં વસતા યહૂદી ભાઈઓ પર પત્ર લખાવ્યા હતા; જેથી હું ત્યાં જઈને એ લોકોની ધરપકડ કરીને તેમને સજા કરવા માટે યરુશાલેમ લઈ આવું.” “મુસાફરી કરતાં કરતાં હું દમાસ્ક્સ પાસે આવી પહોંચ્યો તો લગભગ મયાહ્ને મારી આસપાસ આકાશમાંથી એક ઝળહળતો પ્રકાશ ઝબૂક્યો. હું જમીન પર પડી ગયો અને મને ઉદ્દેશીને બોલતી એક વાણી મેં સાંભળી, ‘શાઉલ, શાઉલ, તું મારી સતાવણી કેમ કરે છે?’ મેં કહ્યું, ‘પ્રભુ, તમે કોણ છો?’ તેણે મને કહ્યું, ‘હું નાઝારેથનો ઈસુ છું કે જેને તું સતાવે છે.’ મારી સાથેના માણસોએ પ્રકાશ તો જોયો, પણ મારી સાથે વાત કરનારનો અવાજ સાંભળ્યો નહિ. મેં પૂછયું, ‘પ્રભુ, હું શું કરું?’ અને પ્રભુએ મને કહ્યું, ‘ઊઠ, દમાસ્ક્સ જા, અને ઈશ્વરે તારા સંબંધી નક્કી કર્યા પ્રમાણે તારે શું કરવાનું છે તે બધું તને કહેવામાં આવશે.’ પ્રકાશને કારણે હું જોઈ શક્યો નહિ, અને મારા સાથીદારો મને હાથ પકડીને દમાસ્ક્સમાં લઈ ગયા. “ત્યાં અનાન્યા નામે એક માણસ રહેતો હતો. તે આપણા નિયમશાસ્ત્રને આધીન રહેનાર ધાર્મિક માણસ હતો, અને દમાસ્ક્સમાં વસતા યહૂદીઓ તેનું ખૂબ માન રાખતા હતા. તે મારી પાસે આવ્યો અને મારી પાસે ઊભા રહીને મને કહ્યું, ‘ભાઈ શાઉલ, ફરી દેખતો થા.’ એ જ ક્ષણે હું ફરીથી દેખતો થયો અને મેં તેની સામે જોયું. તેણે કહ્યું, ‘આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની ઇચ્છા જાણવાને, તેમના ન્યાયી સેવકને જોવાને તેમ જ તારી સાથે તેમને વાત કરતા સાંભળવાને તને પસંદ કર્યો છે. કારણ, તેં જે જોયું તથા સાંભળ્યું છે તે અંગે માણસો સમક્ષ તું તેમનો સાક્ષી થઈશ. તો હવે વિલંબ શા માટે કરે છે? ઊઠ, બાપ્તિસ્મા લે, અને તેમને નામે વિનંતી કરીને પાપની માફી પ્રાપ્ત કર.’ “હું યરુશાલેમ પાછો ફર્યો, અને મંદિરમાં પ્રાર્થના કરતો હતો ત્યારે મને સંદર્શન થયું. તેમાં મેં પ્રભુને આમ કહેતા સાંભળ્યા, ‘યરુશાલેમમાંથી જલદી નીકળી જા, કારણ, મારા વિષેની તારી સાક્ષીને લીધે અહીંના લોકો તને સ્વીકારશે નહિ.’ મેં જવાબ આપ્યો, ‘પ્રભુ, તેઓ સારી રીતે જાણે છે કે, ભજનસ્થાનોમાં જઈને તારા પર વિશ્વાસ કરનારાઓની ધરપકડ કરીને મેં તેમને માર્યા છે વળી, તમારા સેવક સ્તેફનને મારી નાખવામાં આવ્યો ત્યારે તેના ખૂનમાં મેં સંમતિ આપી હતી, અને મારનારાઓનાં વસ્ત્ર સાચવતો હું ત્યાં ઊભો હતો.’ પ્રભુએ મને કહ્યું, ‘જા, કારણ, હું તને બિનબહૂદીઓ પાસે દૂર દૂર મોકલીશ.” પાઉલ આટલું બોલ્યો ત્યાં સુધી લોકોએ તેનું સાંભળ્યું; પણ પછી તેઓ જોરથી બૂમો પાડવા લાગ્યા, “તેને ખતમ કરો! તે જીવવા માટે લાયક નથી!” તેઓ કિકિયારીઓ પાડવા લાગ્યા, પોતાનાં વસ્ત્ર ફાડવા લાગ્યા અને આકાશમાં ધૂળ ઉડાડવા લાગ્યા રોમન અફસરે તેના માણસોને પાઉલને કિલ્લામાં લઈ જવા હુકમ કર્યો, અને યહૂદીઓ તેની વિરુદ્ધ શા માટે આમ પોકારતા હતા તે શોધી કાઢવા તેને ફટકા મારવા જણાવ્યું. પણ તેમણે તેને ફટકા મારવાને બાંધ્યો, ત્યારે પાઉલે ત્યાં ઊભેલા અધિકારીને કહ્યું, “જેના પર કોઈ ગુનો સાબિત થયો ન હોય તેવા રોમન નાગરિકને ફટકા મારવા એ શું ક્યદેસર છે?” એ સાંભળીને અધિકારી અફસર પાસે ગયો અને કહ્યું, “તમે શું કરી રહ્યા છો? એ માણસ તો રોમન નાગરિક છે!” તેથી અફસરે પાઉલ પાસે જઈને તેને પૂછયું, “શું તમે રોમન નાગરિક છો?” અફસરે કહ્યું, “હું મોટી રકમ આપીને રોમન નાગરિક બન્યો છું.” પાઉલે કહ્યું, “પણ હું તો જન્મથી જ રોમન નાગરિક છું.” તરત જ પાઉલની તપાસ કરનારા માણસો પાછા પડયા, અને પાઉલ રોમન નાગરિક હોવા છતાં તેણે તેને હાથકડી પહેરાવી છે એવું જાણતાં અફસર ગભરાયો. યહૂદીઓ પાઉલ પર કયો આરોપ મૂક્તા હતા તે અફસર ચોક્કસ રીતે શોધી કાઢવા માગતો હતો; તેથી તેણે બીજે દિવસે પાઉલને સાંકળોથી મુક્ત કર્યો અને મુખ્ય યજ્ઞકારો તથા આખી ન્યાયસભાને બોલાવ્યાં. પછી તેણે પાઉલને તેમની સમક્ષ રજૂ કર્યો. પાઉલે ન્યાયસભાની સામે જોઈને કહ્યું, “મારા ભાઈઓ, મેં આજદિન સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંત:કરણથી મારું જીવન ગાળ્યું છે.” પ્રમુખ યજ્ઞકાર અનાન્યાએ પાઉલને થપ્પડ મારવા માટે તેની નજીક ઊભા રહેલાઓને હુકમ કર્યો. પાઉલે તેને કહ્યું, “ઓ દંભી! ઈશ્વર જરૂર તને મારશે. નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાય કરવાને તું ત્યાં બેઠો છે, અને છતાં મને મારવાનો હુકમ કરીને તું જ નિયમ તોડે છે!” પાઉલની નજીક ઊભા રહેલા માણસોએ તેને કહ્યું, “તું ઈશ્વરના પ્રમુખ યજ્ઞકારનું અપમાન કરે છે?” પાઉલે જવાબ આપ્યો, “ભાઈઓ, એ પ્રમુખ યજ્ઞકાર છે તે હું જાણતો ન હતો. ધર્મશાસ્ત્ર કહે છે, ‘તમારા લોકના આગેવાનની તમારે નિંદા કરવી નહિ.” એ ટોળામાં કેટલાક સાદૂકીઓ અને કેટલાક ફરોશીઓ છે એવી ખબર પડતાં પાઉલે ન્યાયસભાને ઉદ્દેશીને કહ્યું, “ભાઈઓ, હું ફરોશી છું, અને ફરોશીઓનો જ વંશજ છું. મરેલાં સજીવન થશે એવી આશા હું રાખું છું એટલે અત્યારે મારી પર કેસ ચલાવાય છે!” એણે એવું કહ્યું એટલે તરત જ ફરોશીપંથીઓ અને સાદૂકીપંથીઓ ઝઘડવા લાગ્યા અને ટોળામાં ભાગલા પડી ગયા. કારણ, સાદૂકીઓ માને છે કે લોકો મરણમાંથી સજીવન થતા નથી, અને દૂતો અથવા આત્માઓ જેવું કંઈ નથી; જ્યારે ફરોશીઓ આ ત્રણે બાબતોમાં માને છે. ઘોંઘાટ વધતો ગયો, અને ફરોશીપંથના નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઊભા થઈને સખત વિરોધ કર્યો, “અમને આ માણસમાં કંઈ ખોટું જણાતું નથી! કદાચ કોઈ આત્મા અથવા દૂતે તેની સાથે વાત કરી છે.” ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે અફસરને લાગ્યું કે તેઓ પાઉલના ટુકડેટુકડા કરી નાખશે. તેથી તેણે પોતાના સૈનિકોને ટોળામાં જઈને પાઉલને ઉઠાવીને કિલ્લામાં લઈ આવવા હુકમ કર્યો. એ પછીની રાતે પ્રભુએ પાઉલની પાસે ઊભા રહીને કહ્યું, “હિંમત રાખજે, તેં અહીં યરુશાલેમમાં મારા વિષે સાક્ષી આપી છે, અને તારે રોમમાં પણ સાક્ષી આપવાની છે.” પછીની સવારે કેટલાક યહૂદીઓએ એકઠા મળીને એક યોજના ઘડી કાઢી. પાઉલને મારી નાખ્યા વિના અન્‍નજળ નહિ લેવાની તેમણે પ્રતિજ્ઞા લીધી. આ કાવતરામાં ચાલીસ કરતાં વધારે માણસો સંડોવાયેલા હતા. પછી તેમણે મુખ્ય યજ્ઞકારો અને આગેવાનો પાસે જઈને કહ્યું, “પાઉલને મારી નાખ્યા વિના કંઈ નહિ ખાવાની ગંભીર પ્રતિજ્ઞા અમે લીધી છે. હવે પાઉલ સંબંધી તમારે જાણે વધારે સચોટ વિગતો જોઈએ છે એવો દેખાવ કરીને તમે અને ન્યાયસભા તેને તમારી પાસે લાવવા રોમન અફસરને સંદેશો મોકલો. પણ તે અહીં આવે તે પહેલાં તેને ખતમ કરી નાખવા અમે તૈયાર રહીશું” પણ પાઉલના ભાણેજને આ કાવતરાની જાણ થઈ ગઈ, તેથી તેણે કિલ્લામાં જઈને પાઉલને તે જણાવી દીધું. તેથી પાઉલે અધિકારીઓમાંના એકને બોલાવીને કહ્યું, “આ યુવાનને અફસર પાસે લઈ જાઓ; તે તેમને કંઈક કહેવા માગે છે.” અધિકારી તેને અફસર પાસે લઈ ગયો અને તેણે કહ્યું, “કેદી પાઉલે મને બોલાવ્યો અને તમારી પાસે આ યુવાનને લઈ આવવા કહ્યું, કારણ, તે તમને કંઈક કહેવા માગે છે.” અફસર તેનો હાથ પકડીને તેને પોતાની સાથે એક બાજુ લઈ ગયો અને પૂછયું, “તારે શું કહેવું છે?” તેણે કહ્યું, “પાઉલ વિષે ન્યાયસભાને સચોટ વિગતો જોઈએ છે એવા બહાના નીચે આવતી કાલે તેને ન્યાયસભામાં બોલાવવા આપની પાસે માગણી કરવાનો યહૂદી અધિકારીઓએ નિર્ણય કર્યો છે. પણ તેમનું માનશો નહિ. કારણ, ચાલીસ કરતાં વધારે માણસો તેની રાહ જોતા સંતાઈ રહ્યા છે. પાઉલને તેઓ મારી ન નાખે ત્યાં સુધી તેમણે કંઈ અન્‍નજળ નહિ લેવાની પ્રતિજ્ઞા લીધી છે. તેઓ હવે તેમ કરવાને તૈયાર છે, અને તમારા નિર્ણયની રાહ જુએ છે.” અફસરે કહ્યું, “તેં મને આ જણાવ્યું છે એવું કોઈને કહીશ નહિ.” પછી તેણે પેલા યુવાનને વિદાય કર્યો. પછી અફસરે તેના બે અધિકારીઓને બોલાવીને કહ્યું, “સિત્તેર ઘોડેસ્વારો, અને બસો ભાલદારો અને બસો સૈનિકોને કાઈસારિયા જવા તૈયાર કરો, અને આજે રાત્રે નવ વાગે નીકળવા માટે તૈયાર રહો. પાઉલને સવારી કરવા માટે પણ કેટલાક ઘોડા તૈયાર કરો અને તેને સહીસલામત રીતે રાજ્યપાલ ફેલીક્ષ પાસે પહોંચાડો.” પછી અફસરે એક આવો પત્ર પાઠવ્યો: “કલોડિયસ લુસિયસ તરફથી માનવંત રાજ્યપાલ ફેલીક્ષને સાદર પ્રણામ. યહૂદીઓએ આ માણસને પકડયો હતો અને તેને મારી નાખવાની તૈયારીમાં હતા. તે રોમન નાગરિક છે, એવી મને ખબર મળતાં હું મારા સૈનિકોને લઈને તેને બચાવવા ગયો. તેઓ તેના પર શો આરોપ મૂક્તા હતા તે જાણવાને મેં તેને તેમની ન્યાયસભા પાસે મોકલ્યો. મને ખબર પડી કે મરણની સજા થાય એવું અથવા કેદમાં નંખાવા જેવું તેણે કંઈ કર્યું નથી; તેની વિરુદ્ધના તેમના આરોપો તેમના પોતાના નિયમશાસ્ત્રના પ્રશ્ર્નો સંબંધીના છે. કેટલાક યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું ઘડયું છે, એવી મને બાતમી મળતાં મેં તેને તમારી પાસે મોકલવાનો નિર્ણય કર્યો છે. મેં તેના ફરિયાદીઓને કહ્યું છે કે તેઓ તમારી સમક્ષ તેના પર આરોપ મૂકે.” સૈનિકોએ તેના હુકમનો અમલ કર્યો. તેઓ પાઉલને લઈને એ જ રાત્રે એન્ટીપાટ્રીસ આવ્યા. બીજે દિવસે પાયદળના સૈનિકો કિલ્લામાં પાછા ફર્યા અને ઘોડેસ્વારોને તેની સાથે જવા દીધા. તેઓ તેને કાઈસારિયા લઈ ગયા, રાજ્યપાલને પત્ર આપ્યો અને પાઉલને સોંપ્યો. રાજ્યપાલે પત્ર વાંચીને પાઉલ ક્યા પ્રદેશનો હતો તે તેને પૂછયું. જ્યારે તેને ખબર પડી કે તે કિલીકિયાનો છે, ત્યારે તેણે કહ્યું, “તારા ફરિયાદીઓ આવે ત્યારે હું તારું સાંભળીશ.” પછી તેણે પાઉલને હેરોદના મહેલમાં સૈનિકોના પહેરા નીચે રાખવાનો હુકમ કર્યો. પાંચ દિવસ પછી પ્રમુખ યજ્ઞકાર અનાન્યા કેટલાક આગેવાનો અને તર્ટુલ્લસ નામના રોમન કાયદાશાસ્ત્રીને લઈને કાઈસારિયા ગયો. તેમણે રાજ્યપાલ ફેલીક્ષ સમક્ષ હાજર થઈને પાઉલ વિરુદ્ધ આરોપ મૂક્યો. તર્ટુલ્લસને બોલાવવામાં આવ્યો અને તેણે પાઉલ પર આ પ્રમાણે આરોપ મૂકવાનું શરૂ કર્યું: “માનવંત રાજ્યપાલશ્રી ફેલીક્ષ, આપના કુશળ વહીવટ નીચે લાંબા સમયથી અમે શાંતિ અનુભવી રહ્યા છીએ. અમારા દેશના ભલા માટે ઘણા જરૂરી સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. સર્વ સ્થળે અને સર્વ સમયે અમે તેનું પાલન કરીએ છીએ, અને અમે આપના ખૂબ જ આભારી છીએ. હું આપનો વધારે પડતો સમય લેવા માગતો નથી, તેથી અમારી ટૂંકી રજૂઆત આપ કૃપા કરીને સાંભળો એવી મારી વિનંતી છે. આ માણસ અમને ભયાનક ક્રાંતિકારી માલૂમ પડયો છે; તે સમગ્ર દુનિયામાં યહૂદીઓ મયે હુલ્લડ ફેલાવે છે અને નાઝરેથી પંથનો આગેવાન છે. તેણે અમારા મંદિરને અભડાવવાનો પ્રયત્ન કર્યો એટલે અમે તેની ધરપકડ કરી. અમારા પોતાના નિયમશાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરવાનો અમે પ્રયત્ન કર્યો, પણ અફસર લુસિયસ વચ્ચે પડીને તેને બળજબરીથી લઈ ગયા. પછી લુસિયસે હુકમ આપ્યો કે તેના ફરિયાદીઓએ તમારી સમક્ષ આવવું. તમે એ માણસને જ પ્રશ્ર્ન પૂછશો તો અમે તેના પર જે આરોપ મૂકીએ છીએ તે બધા સાચા છે તે તમે જાણી શકશો.” યહૂદીઓ એ આરોપ સાથે સહમત થયા અને કહ્યું કે એ બધું સાચું છે. પછી રાજ્યપાલે પાઉલને બોલવા ઇશારો કર્યો એટલે પાઉલે કહ્યું, “આપ ઘણાં વર્ષોથી આ પ્રજાનો ન્યાય કરતા આવ્યા છો તે હું જાણું છું અને તેથી તમારી સમક્ષ મારો બચાવ કરતાં મને આનંદ થાય છે. તમે પોતે જ તપાસ કરાવી શકો છો કે બારેક દિવસ અગાઉ હું યરુશાલેમમાં ભક્તિ કરવા ગયો હતો. યહૂદીઓએ મને કોઈની સાથે મંદિરમાં વાદવિવાદ કરતો અથવા ભજનસ્થાનો કે શહેરનાં અન્ય સ્થળોમાં લોકોને ઉશ્કેરતો જોયો નથી. વળી, તેઓ મારી ઉપર અત્યારે જે આરોપ મૂકે છે તેનો પુરાવો તેઓ આપી શકે તેમ નથી. હું કબૂલ કરું છું કે તેઓ જેને દુર્મત કહે છે તેવા ઈસુપંથને અનુસરીને હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું. છતાં મોશેના નિયમશાસ્ત્રમાં અને સંદેશવાહકોનાં પુસ્તકોમાં જે લખેલું છે તે બધું જ હું માનું છું. તેઓ ઈશ્વરમાં જે આશા રાખે છે તે જ આશા હું રાખું છું; એટલે, ન્યાયી કે દુષ્ટ સર્વ લોકો મૃત્યુમાંથી સજીવન થશે. અને તેથી ઈશ્વર તેમ જ માણસો સમક્ષ મારું અંત:કરણ શુદ્ધ રાખવા હું હમેશાં મારાથી બનતો બધો પ્રયત્ન કરું છું. “ઘણાં વર્ષો સુધી યરુશાલેમથી બહાર રહ્યા પછી મારા પોતાના લોકોને થોડા પૈસા આપવાને અને બલિદાનો ચઢાવવાને હું ત્યાં ગયો હતો. શુદ્ધિકરણની ક્રિયા પૂરી કર્યા પછી હું બલિદાન ચઢાવી રહ્યો હતો ત્યારે તેમણે મને મંદિરમાં જોયો. ત્યાં મારી સાથે ટોળું ન હતું કે ન તો કંઈ ધાંધલ થયું હતું. પણ આસિયાથી આવેલા કેટલાક યહૂદીઓ ત્યાં હતા. તેમને મારી વિરુદ્ધ કંઈ હોય તો તેમણે પોતે તમારી પાસે આવીને આરોપ મૂકવા જોઈએ. અથવા આ માણસોને કહેવા દો કે જ્યારે હું ન્યાયસભા સમક્ષ ઊભો હતો ત્યારે તેમને મારામાં કયો દોષ માલૂમ પડયો? એ જ કે હું તેમની સમક્ષ ઊભો હતો ત્યારે મેં કહ્યું હતું તેમ, ‘મરેલાંઓ સજીવન થશે એવો વિશ્વાસ રાખવાને લીધે જ તમે આજે મારો ન્યાય કરો છો.” પછી ફેલીક્ષ, જેને એ માર્ગ વિષેની ચોક્કસ માહિતી હતી, તેણે મુદ્દત પાડી. તેણે તેમને કહ્યું, “અફસર લુસિયસ આવે ત્યારે હું તમારો કેસ આગળ ચલાવીશ.” ફેલીક્ષે પાઉલના સંરક્ષક અધિકારીને હુકમ આપ્યો કે પાઉલને સંરક્ષકોના પહેરા નીચે રાખો, પણ તેને થોડી સ્વતંત્રતા આપજો અને તેના મિત્રોને તેની જરૂરિયાતો માટે મદદ કરવા દેજો. થોડા દિવસો પછી ફેલીક્ષ તેની યહૂદી પત્ની દ્રુસિલા સાથે આવ્યો. તેણે પાઉલને બોલાવડાવ્યો અને તેની પાસેથી ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવા અંગે સાંભળ્યું. પણ પાઉલે ભલાઈ, સંયમ, આવનાર ન્યાયદિન અંગે ચર્ચા શરૂ કરી એટલે ફેલીક્ષ ગભરાયો અને કહ્યું, “તું હવે જા. મને તક મળ્યેથી હું તને ફરી બોલાવીશ.” સાથે સાથે પાઉલ તેને કંઈક લાંચ આપશે એવી તેને આશા હતી, અને તેથી તે તેને વારંવાર બોલાવી તેની સાથે વાત કરતો. બે વર્ષ પછી ફેલીક્ષની જગ્યાએ પેર્સિયસ ફેસ્તસ રાજ્યપાલ તરીકે આવ્યો. ફેલીક્ષ યહૂદીઓમાં લોકપ્રિય બનવા માગતો હોવાથી તેણે પાઉલને જેલમાં જ રાખી મૂક્યો. ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવ્યો. ત્રણ દિવસ પછી તે કાઈસારિયાથી યરુશાલેમ ગયો. ત્યાં મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ પાઉલ વિરુદ્ધના આરોપ રજૂ કર્યા. તેમણે ફેસ્તસને તેમની તરફેણ કરીને પાઉલને યરૂશાલેમ મોકલી આપવા વિનંતી કરી. કારણ, તેમણે તેને રસ્તામાં જ મારી નાખવાનું કાવતરું ઘડયું હતું. ફેસ્તસે જવાબ આપ્યો, “પાઉલને કાઈસારિયા જેલમાં પૂરવામાં આવ્યો છે, અને હું પણ ત્યાં જલદી પાછો જવાનો છું. જો એણે કોઈ ગુનો કર્યો હોય, તો તમારા આગેવાનો મારી સાથે કાઈસારિયા આવીને એ માણસ પરના આરોપ રજૂ કરે.” ફેસ્તસ તેમની સાથે બીજા આઠથી દસ દિવસ રહ્યો અને પછી કાઈસારિયા ગયો. બીજે દિવસે તેણે ન્યાયાસન પર પોતાનું સ્થાન લઈને પાઉલને ત્યાં અંદર લાવવાનો હુકમ કર્યો. પાઉલ આવ્યો એટલે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેને ઘેરી વળીને તેના પર ગંભીર આરોપ મૂકવા લાગ્યા, પણ તેમાંનો એકેય આરોપ તેઓ સાબિત કરી શકે તેમ ન હતા. પણ પાઉલે પોતાનો બચાવ કરતાં કહ્યું, “મેં યહૂદીઓના નિયમશાસ્ત્ર વિરુદ્ધ અથવા તેમના મંદિર વિરુદ્ધ કે રોમન સમ્રાટ વિરુદ્ધ કંઈ ગુનો કર્યો નથી.” ફેસ્તસ યહૂદીઓમાં લોકપ્રિય થવા માગતો હોવાથી તેણે પાઉલને પૂછયું, “તું યરુશાલેમ જવા અને ત્યાં મારી સમક્ષ તારા પરના આરોપો અંગે ક્મ ચાલે તે માટે તૈયાર છે?” પાઉલે કહ્યું, “હું સમ્રાટના ન્યાયાસન સમક્ષ ઊભો છું, અને ત્યાં જ મારો ન્યાય થવો જોઈએ. તમે સારી રીતે જાણો છો કે મેં યહૂદીઓનું કંઈ ખોટું કર્યું નથી. જો નિયમનો ભંગ કર્યાને લીધે મને મોતની સજા થાય એવો મેં કોઈ ગુનો કર્યો હોય, તો હું તેમાંથી છટકી જવાની માગણી કરતો નથી. પણ તેમના આરોપ તથ્ય વગરના હોય તો કોઈ મને તેમના હાથમાં સોંપી શકે નહિ. તેથી હું સમ્રાટને અપીલ કરું છું.” પછી પોતાના સલાહકારો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી ફેસ્તેસે જવાબ આપ્યો, “તેં સમ્રાટને અપીલ કરી, માટે તારે સમ્રાટ પાસે જવું પડશે.” થોડા સમય પછી આગ્રીપા રાજા અને બેરનીકે રાણી ફેસ્તસની મુલાકાતે આવ્યાં. તેઓ ત્યાં ઘણા દિવસ રહ્યા પછી ફેસ્તસે રાજા સમક્ષ પાઉલના કેસની ચર્ચા કરી: “ફેલીક્ષે એક કેદીને જેલમાં પૂરેલો છે. હું યરુશાલેમ ગયો ત્યારે મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનો તેની વિરુદ્ધ આરોપો મૂકવા લાગ્યા અને તેને સજા કરવા મને કહ્યું. પણ મેં તેમને કહ્યું કે રોમનોનો કાયદો આવો છે: આરોપીને તેના ફરિયાદીઓની હાજરીમાં બચાવની તક આપ્યા વિના કોઈના હાથમાં સોંપી શકાય નહિ. જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે જરા પણ વિલંબ કર્યા વગર હું બીજે જ દિવસે ન્યાયાલયમાં જઈને બેઠો અને એ માણસને અંદર લાવવાનો હુકમ કર્યો. તેના વિરોધીઓ ઊભા થયા. પણ હું ધારતો હતો એવો કોઈ ભયંકર ગુનાનો આરોપ તેઓ તેના પર મૂકી શક્યા નહિ. બધો મામલો એમના પોતાના ધર્મ વિષે અને ઈસુ નામના કોઈ માણસ અંગેના વાદવિવાદનો હતો. તે મરી ગયો છે; પણ પાઉલ એવો દાવો કરે છે કે તે હજુ જીવે છે. આ બાબતો વિષે કેવી રીતે માહિતી મેળવવી એનો નિર્ણય હું કરી શક્યો નહિ. તેથી મેં પાઉલને પૂછયું કે તું યરુશાલેમ જવા અને આ આરોપ અંગે તારા પર ક્મ ચાલે તે માટે તૈયાર છે? પણ પાઉલે પોતાને સંરક્ષકોના પહેરા નીચે રાખવા અને સમ્રાટ તેના કેસનો ચુક્દો આપે એવી માગણી કરી. તેથી હું તેને સમ્રાટ પાસે મોકલી આપું ત્યાં સુધી મેં તેને ચોકીપહેરા નીચે રાખ્યો છે.” આગ્રીપાએ ફેસ્તસને કહ્યું, “મારે પણ એ માણસનું સાંભળવું છે.” ફેસ્તસે જવાબ આપ્યો, “કાલે તમને સાંભળવાની તક મળશે.” બીજે દિવસે આગ્રીપા અને બેરનીકે ભારે દબદબા સહિત આવ્યાં અને લશ્કરી અફસરો અને શહેરના અગ્રગણ્ય નાગરિકો સાથે સભાખંડમાં પ્રવેશ્યાં. ફેસ્તસે હુકમ કર્યો એટલે પાઉલને લાવવામાં આવ્યો. ફેસ્તસે કહ્યું, “આગ્રીપા રાજા, અને અત્રે પધારેલા સૌ મહેમાનો! અહીંના અને યરુશાલેમના બધા યહૂદી લોકો તરફથી જેના અંગે મારી પાસે ફરિયાદ આવી છે તે માણસને તમે જોઈ શકો છો. તે જીવવાને લાયક નથી એવા પોકાર તેમણે કર્યા હતા. પણ મોતની સજા થાય તેવો કોઈ ગુનો તેણે કર્યો હોય તેવું મને જણાતું નથી. વળી તેણે પોતે સમ્રાટને અપીલ કરી હોવાથી મેં તેને તેમની સમક્ષ રોમ મોકલી આપવાનો નિર્ણય કર્યો છે. પણ સમ્રાટ પર એના અંગે લખવાને મારી પાસે કોઈ ચોક્કસ વિગતો નથી. માટે મેં તેને આપ સૌની સમક્ષ અને ખાસ કરીને આગ્રીપા રાજા સમક્ષ રજૂ કર્યો છે, એ માટે કે તેનો કેસ તપાસ્યા પછી મને લખવા માટે કંઈક મળે. કારણ, કેદીની સામેના આક્ષેપો સ્પષ્ટપણે દર્શાવ્યા વિના તેને મોકલી આપવો એ મને યોગ્ય લાગતું નથી.” આગ્રીપાએ પાઉલને કહ્યું, “હવે તારા બચાવ સંબંધી તું બોલી શકે છે.” પાઉલે પોતાના હાથ પ્રસારીને આ પ્રમાણે બચાવ કર્યો: “હે આગ્રીપા રાજા! યહૂદીઓ મારા પર જે આરોપ મૂકે છે તે અંગે આજે આપની સમક્ષ મારે મારો બચાવ કરવાનો છે તેથી હું પોતાને ભાગ્યશાળી ગણું છું. કારણ, તમે યહૂદી રીતરિવાજો અને વિવાદાસ્પદ બાબતોથી સુપરિચિત છો. તેથી તમે મને ધીરજથી સાંભળશો એવી મારી વિનંતી છે. “હું કિશોરાવસ્થામાં હતો ત્યારથી જ મારા પોતાના પ્રદેશમાં અને યરુશાલેમમાં મેં મારું સમગ્ર જીવન કેવી રીતે ગાળ્યું છે તે બધા યહૂદીઓ શરૂઆતથી જાણે છે. જો તેઓ કબૂલ કરવા તૈયાર હોય, તો તેમને ખબર છે કે મેં શરૂઆતથી જ મારું જીવન અમારા ધર્મના સૌથી રૂઢિચુસ્ત પંથ એટલે ફરોશીપંથના સભ્ય તરીકે ગાળ્યું છે. અને અમારા પૂર્વજોને ઈશ્વરે આપેલા વચનમાં આશા રાખવાને લીધે આજે મારા પર આ કેસ ચાલે છે. એ જ વચન મેળવવા માટે તો ઈશ્વરની રાતદિવસ ભક્તિ કરતાં કરતાં અમારા લોકનાં બારેય કુળ તેની આશા સેવે છે. હે માનવંત રાજા, એ જ આશા રાખવાને લીધે યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે. ઈશ્વર મરેલાંઓને સજીવન કરે છે એ વાત માનવાનું તમ યહૂદીઓને અશક્ય કેમ લાગે છે? નાઝારેથના ઈસુના નામની વિરુદ્ધ મારે મારાથી થાય તે બધું કરી છૂટવું જોઈએ એમ હું પોતે માનતો હતો. યરુશાલેમમાં મેં એવું જ કર્યું. મુખ્ય યજ્ઞકારો પાસેથી અધિકાર મેળવીને ઈશ્વરના ઘણા લોકોને મેં જેલમાં પૂર્યા; અને તેમને મોતની સજા ફટકારાતી ત્યારે હું પણ તેમાં સંમત થતો. બધાં ભજનસ્થાનોમાં મેં તેમને શિક્ષા કરાવી હતી અને તેઓ પોતાના વિશ્વાસનો નકાર કરે તે માટે પ્રયાસ કર્યો હતો. તેમની પર હું એવો ક્રોધે ભરાયો હતો કે તેમની સતાવણી કરવાને હું બીજા પ્રદેશોમાં પણ ગયો. “આ જ હેતુસર મુખ્ય યજ્ઞકારો પાસેથી અધિકાર અને હુકમો મેળવીને હું દમાસ્ક્સ ગયો હતો. હે માનવંત રાજા, મયાહ્ને રસ્તામાં જ મેં અને મારી સાથે મુસાફરી કરતા માણસોએ મારી આસપાસ આકાશમાંથી સૂર્યના પ્રકાશના કરતાં પણ વિશેષ તેજસ્વી પ્રકાશ જોયો. અમે બધા જમીન પર પડી ગયા, અને મેં હિબ્રૂ ભાષામાં એક વાણી મને આમ કહેતી સાંભળી: ‘શાઉલ, શાઉલ, તું મારી સતાવણી કેમ કરે છે? અણીદાર આર પર લાત મારીને તું પોતાને જ નુક્સાન પહોંચાડે છે.’ મેં પૂછયું ‘પ્રભુ, તમે કોણ છો?’ અને પ્રભુએ કહ્યું, ‘હું ઈસુ છું, જેને તું સતાવે છે. પણ હવે ઊઠ, મારા સેવક તરીકે તને નીમવાને મેં તને દર્શન દીધું છે. તેં આજે મારા વિષે જે જોયું છે અને હવે ભવિષ્યમાં તને જે દર્શાવીશ તે તારે બીજાઓને કહેવાનું છે. ઇઝરાયલી લોકો અને બિનયહૂદીઓ પાસે હું તને મોકલું છું. તેમનાથી હું તારો બચાવ કરીશ. તારે તેમની આંખો ખોલવી અને તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ અને શેતાનના અધિકાર નીચેથી ઈશ્વર તરફ ફેરવવા, જેથી મારા પર વિશ્વાસ કરવાને લીધે તેમને તેમનાં પાપની માફી મળે અને ઈશ્વરના પસંદ કરાયેલા લોકોમાં તેમને સ્થાન મળે.’ “તેથી હે આગ્રીપા રાજા, એ સ્વર્ગીય સંદર્શનને આધીન થયા વગર હું રહી શક્યો નહીં. પ્રથમ દમાસ્ક્સમાં, પછી યરુશાલેમમાં અને પછી યહૂદીઓના આખા પ્રદેશમાં અને બિનયહૂદીઓ મયે મેં પ્રચાર કર્યો કે તેમણે પોતાનાં પાપથી પાછા ફરીને ઈશ્વર તરફ ફરવું જોઈએ, તેમ જ તેઓ પાપથી પાછા ફર્યા છે એવું દર્શાવતાં કાર્યો કરવાં જોઈએ. આ જ કારણસર હું મંદિરમાં હતો ત્યારે યહૂદીઓએ મને પકડયો અને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. પણ આજ દિન સુધી ઈશ્વરે મદદ કરી છે, અને તેથી નાનાંમોટાં સર્વ સમક્ષ મારી સાક્ષી આપતાં હું અહીં ઊભો છું. જે બાબતો વિશે સંદેશવાહકો અને મોશેએ કહ્યું હતું તે જ હું કહું છું. એટલે કે મસીહે યહૂદીઓ અને બિનયહૂદીઓ સમક્ષ ઉદ્ધારનો પ્રકાશ જાહેર કરવા માટે દુ:ખ સહન કરવું જોઈએ અને મરણમાંથી પ્રથમ સજીવન થનાર બનવું જોઈએ.” પાઉલ આ રીતે પોતાનો બચાવ કરી રહ્યો હતો તેવામાં ફેસ્તસે તેને પોકારીને કહ્યું, “પાઉલ, તું પાગલ છે! તારા ઘણા જ્ઞાનને લીધે તારું મગજ ચસકી ગયું છે!” પાઉલે જવાબ આપ્યો, “નામદાર, હું પાગલ નથી. હું સીધીસાદી ભાષામાં બોલી રહ્યો છું. હે આગ્રીપા રાજા! હું તમારી સાથે હિંમતપૂર્વક બોલી શકું છું, કારણ, તમે આ બધી બાબતો જાણો છો. મને ખાતરી છે કે તમે બધી બાબતો ધ્યાનમાં લીધી છે; કારણ, આ વાત કંઈ ઘરને ખૂણે બની નથી. હે આગ્રીપા રાજા, તમે સંદેશવાહકો પર તો વિશ્વાસ કરો છો ને? મને એની ખબર છે!” આગ્રીપાએ પાઉલને કહ્યું, “આટલા ટૂંકા ગાળામાં તું મને ખ્રિસ્તી બનાવી દેવા માગે છે?” પાઉલે તેને જવાબ આપ્યો, “મારી તો ઈશ્વરને પ્રાર્થના છે કે વહેલા કે મોડા તમે અને આ બધા શ્રોતાજનો આ સાંકળો સિવાય મારા જેવા બનો!” પછી રાજા, રાજ્યપાલ, રાણી બેરનીકે અને અન્ય સૌ ઊભા થયા. તેઓ વિખેરાયા પછી તેમણે પરસ્પર કહ્યું, “આ માણસે મોત કે કેદની સજા થાય તેવો કોઈ ગુનો કર્યો નથી.” આગ્રીપાએ ફેસ્તસને કહ્યું, “આ માણસે સમ્રાટ સમક્ષ રજૂઆત કરવાની માગણી ન કરી હોત તો તેને છૂટો કરી શક્યો હોત.” અમારે વહાણમાં બેસી ઇટાલી જવું એવું નક્કી થયું એટલે તેમણે પાઉલ અને બીજા કેટલાક કેદીઓને “સમ્રાટની ટુકડી” નામે ઓળખાતી રોમન લશ્કરી ટુકડીના અધિકારી જુલિયસને સુપરત કર્યા. આસિયા પ્રાંતનાં બંદરોએ થઈને જનારા એક વહાણમાં અમે અદ્રામીટ્ટીમથી મુસાફરી શરૂ કરી. થેસ્સાલોનિકાથી આવેલો મકદોનિયા પ્રદેશનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો. બીજે દિવસે અમે સિદોન આવી પહોંચ્યા. જુલિયસ પાઉલ પ્રત્યે માયાળુ હતો, તેથી તેને જરૂરી વસ્તુ મળે માટે તેણે તેના મિત્રોને મળવા જવા દીધો. ત્યાંથી અમે આગળ ચાલ્યા, અને પવન સામો હોવાથી અમે સાયપ્રસ ટાપુને કિનારે કિનારે વહાણ હંકાર્યું. અમે કિલીકિયા અને પામ્ફુલિયા થઈને સમુદ્ર ઓળંગી લુસિયાના મૂરા બંદરે આવ્યા. ત્યાં અધિકારીને એલેકઝાંડ્રિયાથી આવીને ઇટાલી જતા વહાણની ખબર પડી. તેથી તેણે અમને તેમાં બેસાડયા. ઘણા દિવસો સુધી પવન સામો હોવાથી અમે ધીરે ધીરે હંકારતા રહ્યા અને છેવટે મહા મુશ્કેલીએ કનીદસ નગરની નજીક પહોંચ્યા. પવનને કારણે અમે એ દિશામાં આગળ જઈ શકીએ તેમ ન હતું. તેથી અમે ક્રીત ટાપુને કિનારે કિનારે સાલ્મોનેની ભૂશિર આગળ થઈને વહાણ હંકાર્યું. અમે વહાણ કિનારે કિનારે હંકાર્યું અને મહા મુશ્કેલીએ લાસિયા નજીક આવેલ ‘સલામત બંદર’ નામની જગ્યાએ આવ્યા. અમે ત્યાં લાંબો સમય ગાળ્યો અને ‘પ્રાયશ્ર્વિતનો દિવસ’ વીતી ગયો હતો અને વર્ષના આ ભાગમાં મુસાફરી ચાલુ રાખવી જોખમકારક હતી. તેથી પાઉલે તેમને આવી સલાહ આપી: “ભાઈઓ, મને લાગે છે કે હવે પછી આપણી મુસાફરી વધુ જોખમકારક બનશે; માલસામાન અને વહાણને મોટું નુક્સાન થશે અને આપણા જીવ પણ ગુમાવીશું.” પણ લશ્કરી અધિકારીએ પાઉલનું માન્યું નહિ, પણ વહાણના કપ્તાન અને તેના માલિકનું કહેવું માન્યું. એ બંદર શિયાળો ગાળવા માટે સારું ન હતું, અને તેથી મોટા ભાગના માણસો, શકાય હોય તો, સમુદ્રમાં મુસાફરી કરીને ફોનીક્સ પહોંચવાનો પ્રયત્ન કરવાની તરફેણમાં હતા. ફોનીક્સ તો નૈઋત્ય અને વાયવ્ય દિશાની સામે આવેલું ક્રીતનું બંદર છે, અને તેઓ ત્યાં શિયાળો ગાળી શકે તેમ હતું. દક્ષિણમાંથી મંદ મંદ પવન વાવા લાગ્યો, અને માણસોને લાગ્યું કે તેમની યોજના પાર પડશે: તેથી તેમણે લંગર ઉઠાવ્યું અને વહાણ ક્રીતના કિનારે કિનારે શકાય તેટલે નજીકથી હંકાર્યું. પણ તરત જ ‘ઇશાનિયા પવન’ તરીકે ઓળખાતો સખત પવન ટાપુ પરથી ફુંકાવા લાગ્યો. વહાણ પર તેની સપાટો લાગી, તેથી પવનની સામે વહાણ લઈ જવું એ અશક્ય નીવડયું. તેથી અમે હંકારવાનો પ્રયત્ન મૂકી દીધો, એટલે તે પવનની સાથે ઘસડાવા લાગ્યું. કૌદા નામના નાના ટાપુની દક્ષિણમાં થઈને પસાર થતાં અમને થોડીક રાહત મળી. ત્યાં થોડીક મુશ્કેલીથી અમે વહાણની બચાવની હોડીને સલામત કરી શક્યા. તેને વહાણમાં લઈ લીધી અને પછી થોડાંક દોરડાંથી વહાણ સાથે કચકચાવીને બાંધી દીધી. લિબિયાના કિનારેથી થોડે દૂર રેતીના ભાગમાં તેઓ ખૂંપી જાય એવી તેમને દહેશત હતી; તેથી તેમણે સઢ ઉતારી પાડયો અને વહાણને પવનથી તણાવા દીધું. પ્રચંડ તોફાન ચાલુ રહ્યું. બીજે દિવસે તેમણે વહાણમાંથી સામાન સમુદ્રમાં નાખી દેવા માંડયો, અને પછીના દિવસે તેમણે તેમને પોતાને હાથે વહાણનાં સાધનો ફેંકી દીધા. ઘણા દિવસો સુધી અમે સૂર્ય કે તારાઓ જોઈ શક્યા નહિ, અને પવન સખત રીતે ફુંક્તો રહ્યો. છેવટે, અમે બચવાની બધી આશા મૂકી દીધી. માણસો લાંબા સમય સુધી ભૂખ્યા રહ્યા પછી પાઉલ તેમની સમક્ષ ઊભો થયો અને કહ્યું, “મિત્રો, મારું માનીને તમારે ક્રીતથી વહાણ હંકારવું જોઈતું નહોતું; એમ થયું હોત તો આ બધું નુક્સાન અને ખોટ આપણે નિવારી શક્યા હોત. પણ હવે મારી વિનંતી છે કે હિંમત રાખો! તમારામાંનો કોઈ મરશે નહિ; માત્ર વહાણ ગુમાવવું પડશે. કારણ, જે ઈશ્વરનો હું ભક્ત છું અને જેની સેવા હું કરું છું તેના દૂતે ગઈકાલે રાતે આવીને મને કહ્યું છે, ‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે સમ્રાટ સમક્ષ હાજર થવાનું છે; અને ઈશ્વરે પોતાની ભલાઈ પ્રમાણે તારી સાથે મુસાફરી કરનાર બધાનાં જીવન તને આપ્યાં છે.’ તેથી મિત્રો, હિંમત રાખો! કારણ, મેં કહ્યું તેવું જ બનશે એવો મને ઈશ્વરમાં ભરોસો છે. પણ આપણે કોઈક ટાપુ પર ફેંકાઈ જઈશું.” ચૌદમી રાત હતી, અને અમે તોફાનને કારણે ભૂમધ્ય સમુદ્રમાં ઢસડાતા હતા. લગભગ અડધી રાત્રે ખલાસીઓને વહેમ ગયો કે અમે જમીન નજીક હતા. તેથી તેમણે એક દોરી સાથે વજન બાંધીને પાણીમાં નાખી તો ખબર પડી કે પાણી આશરે પચાસ મીટર ઊંડું હતું; થોડે દૂર તેમણે ફરીથી તેમ જ કર્યું, તો આશરે ત્રીસ મીટર થયું. અમારું વહાણ કોઈક ખડકો સાથે અથડાશે એવી તેમને બીક લાગી, તેથી તેમણે વહાણના પાછળના ભાગમાં ચાર લંગર બાંયા અને સવાર થાય તે માટે પ્રાર્થના કરી. ખલાસીઓએ વહાણમાંથી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો; તેમણે પાણીમાં બચાવની હોડી ઉતારી અને વહાણના આગળના ભાગમાં થોડાં લંગર નાખવા જતા હોય તેવો દેખાવ કર્યો. પણ પાઉલે લશ્કરના અધિકારી અને સૈનિકોને કહ્યું, “જો આ ખલાસીઓ વહાણ પર નહિ રહે, તો તમે બચી શકશો નહિ.” તેથી સૈનિકોએ હોડીએ બાંધેલાં દોરડાં કાપી નાખ્યાં અને એને જવા દીધી. સવાર થવાની તૈયારી હતી ત્યારે પાઉલે બધાને થોડું થોડું ખાઈ લેવા આજીજી કરી. “આશરે બે સપ્તાહથી તમે રાહ જોઈ રહ્યા છો અને આ બધા સમય દરમિયાન તમારામાંના કોઈએ કંઈ ખાધું નથી. તો હવે મારી વિનંતી છે કે કંઈક ખાઓ. તમારે બચવા માટે એમ કરવાની જરૂર છે. તમારા માથાનો એક વાળ પણ વાંકો થવાનો નથી.” એમ કહ્યા પછી પાઉલે થોડીક રોટલી લીધી અને બધાની સમક્ષ ઈશ્વરનો આભાર માન્યો અને ભાંગીને ખાવા લાગ્યો. એથી તેમને હિંમત આવી અને બધાએ કંઈક ખાધું. વહાણમાં બધા મળીને અમે બસો છોંતેર માણસો હતા. બધાએ પૂરતું ખાઈ લીધા પછી ઘઉં સમુદ્રમાં ફેંકી દઈને વહાણ હલકું કર્યું. સવાર થયું ત્યારે ખલાસીઓને કિનારાની તો ખબર પડી નહિ, પણ રેતીના ક્ંઠાવાળી એક ખાડી જોઈને શકાય હોય તો વહાણને ત્યાં જમીન પર લઈ જવાનો નિર્ણય કર્યો. તેથી તેમણે લંગર કાપી નાખ્યાં અને તેમને સમુદ્રમાં ડૂબી જવા દીધાં, અને એ જ સમયે સુકાનની સાથે બાંધેલા દોરડાં પણ છોડી નાખ્યાં. પછી તેમણે વહાણની આગળના ભાગમાં સઢ ઊંચો કર્યો જેથી પવનથી વહાણ આગળ ધકેલાય અને જમીન તરફ જાય. પણ વહાણ સમુદ્રમાંના રેતીના ટેકરા સાથે અથડાયું. વહાણનો આગલો ભાગ ખૂંપી ગયો અને આગળ વધી શક્યો નહિ, જ્યારે ભયંકર મોજાંથી પાછલા ભાગના ભાંગીને ટુકડેટુકડા થઈ ગયા. કેદીઓ તરીને કિનારા પર જઈને છટકી ન જાય તેથી સૈનિકોએ તેઓ બધાને મારી નાખવાની યોજના કરી. પણ લશ્કરનો અધિકારી પાઉલને બચાવવા માગતો હોવાથી તેણે તેમને તેમ કરતાં અટકાવ્યા. એને બદલે, તેણે બધા માણસોને હુકમ આપ્યો કે જેમને તરતાં આવડતું હોય તેઓ પ્રથમ વહાણમાંથી કૂદી પડીને કિનારે જતા રહે. અને બાકીના તેમની પાછળ પાટિયાં ઉપર અથવા વહાણના કેટલાક ભાંગી ગયેલા ભાગો પકડીને જાય. એમ અમે બધા સલામત રીતે કિનારે પહોંચી ગયા. કિનારે સલામત પહોંચ્યા પછી અમને ખબર પડી કે એ તો માલ્ટા ટાપુ હતો. ત્યાંના વતનીઓ અમારી સાથે માયાળુપણે વર્ત્યા. વરસાદ વરસવો શરૂ થઈ ગયો હતો અને ઠંડી હતી, તેથી તેમણે તાપણું સળગાવીને અમારા બધાનો મિત્રભાવે સત્કાર કર્યો. પાઉલ લાકડાંની ભારી એકઠી કરી અગ્નિ પર મૂક્તો હતો. ત્યારે ગરમીને કારણે એક સાપ નીકળી આવ્યો અને તેના હાથે વીંટળાયો. ટાપુના વતનીઓ પાઉલના હાથ પર સાપ વીંટળાયેલો જોઈને એકબીજાને કહેવા લાગ્યા, “આ માણસ ખૂની હોવો જોઈએ; તે સમુદ્રમાંથી તો બચી ગયો પણ તેનું નસીબ એને જીવવા નહિ દે.” પણ પાઉલે કોઈપણ પ્રકારની ઇજા પામ્યા વગર સાપને ઝાટકો મારી અગ્નિમાં ફેંકી દીધો. પાઉલને હમણાં સોજો ચડશે અથવા તો એકાએક પડીને મરી જશે એની તેઓ રાહ જોતા હતા. પણ લાંબો સમય રાહ જોયા પછી અને તેને કંઈ અસાધારણ અસર નહિ થવાથી તેમનો વિચાર બદલાયો અને તેમણે કહ્યું, “એ તો દેવ લાગે છે!” ત્યાંથી થોડેક દૂર ટાપુના સરપંચ પબ્લિયસનાં કેટલાંક ખેતરો હતાં. તેણે અમને ઉમળક્ભેર આવકાર આપ્યો અને અમે ત્રણ દિવસ તેને ત્યાં મહેમાન તરીકે રહ્યા. પબ્લિયસનો પિતા તાવ અને મરડાથી પથારીવશ હતો. પાઉલે તેની ઓરડીમાં જઈને પ્રાર્થના કરી અને પોતાના હાથ તેના પર મૂકીને તેને સાજો કર્યો. એવું થયા પછી ટાપુ પરના બીજા બીમાર માણસો પણ આવ્યા અને તેમને સાજા કરવામાં આવ્યા. તેમણે અમને ઘણી ભેટો આપી, અને જ્યારે અમે વહાણમાં બેઠા ત્યારે મુસાફરીને માટે જરૂરી વસ્તુઓ તેમણે વહાણમાં મૂકી. એલેકઝાન્ડ્રિયાનું “જોડકા દેવો” મૂર્તિવાળું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુ પર રોકાયું હતું. અમે ત્રણ મહિના પછી તેમાં બેસીને ઊપડયા. અમે સિરાકુસ નામના શહેરમાં આવી પહોંચ્યા અને ત્યાં ત્રણ દિવસ રહ્યા. ત્યાંથી અમે વહાણમાં મુસાફરી કરીને રેગિયમ નામના શહેરમાં આવ્યા. બીજે દિવસે દક્ષિણમાંથી પવન ફુંકાવા લાગ્યો, અને બે જ દિવસમાં અમે પુતૌલી નગરમાં આવ્યા. ત્યાં અમને થોડાક વિશ્વાસીઓ મળ્યા. તેમણે અમને તેમની સાથે એકાદ અઠવાડિયું રહેવા કહ્યું. એ રીતે અમે રોમ પહોંચ્યા. વિશ્વાસી ભાઈઓએ અમારે વિષે સાંભળ્યું એટલે છેક ‘આપ્પિયસનું બજાર’ તેમ જ ‘ત્રણ ધર્મશાળા’ નામનાં સ્થળો સુધી અમને સામા મળવા આવ્યા. પાઉલે તેમને જોયા ત્યારે તેણે ઈશ્વરનો આભાર માન્યો અને તેનામાં હિંમત આવી. અમે રોમમાં આવી પહોંચ્યા એટલે પાઉલને એક સૈનિકના પહેરા નીચે સ્વતંત્ર રહેવા દેવામાં આવ્યો. ત્રણ દિવસ પછી પાઉલે સ્થાનિક યહૂદી આગેવાનોની એક સભા બોલાવી. તેઓ એકઠા થયા એટલે તેણે તેમને કહ્યું, “મારા ભાઈઓ! જોકે મેં આપણા લોકો અથવા આપણા પૂર્વજો પાસેથી ઊતરી આવેલા રીતરિવાજો વિરુદ્ધ કંઈ કર્યું ન હતું તોપણ મને યરુશાલેમમાં કેદ કરવામાં આવ્યો અને રોમનોના હાથમાં સોંપી દેવામાં આવ્યો. તેમણે મને પ્રશ્ર્નો પૂછયા અને મને મુક્ત કરવા તૈયાર હતા, કારણ, મને મોતની સજા થાય તેવો કોઈ ગુનો મેં કર્યો ન હતો. પણ જ્યારે યહૂદીઓએ એનો વિરોધ કર્યો, ત્યારે મારે મારા લોકની વિરુદ્ધ કોઈ આરોપ મૂકવાનો ન હોવા છતાં મારે સમ્રાટ પાસે અપીલ કરવી પડી. એટલા જ માટે હું તમને મળવા તેમ જ તમારી સાથે વાત કરવા માગતો હતો; કારણ, ઇઝરાયલી લોકો જેમની આશા સેવે છે તેમને લીધે જ મારા હાથ પર આ સાંકળો છે.” તેમણે કહ્યું, “તારે વિષે યહૂદિયામાંથી અમને કોઈ પત્ર મળ્યો નથી અથવા ત્યાંથી સમાચાર લઈને અથવા તારી વિરુદ્ધ કહેવાને આપણામાંનો કોઈ ભાઈ ત્યાંથી આવ્યો નથી. પણ અમે તારી વિચારસરણી જાણવા માગીએ છીએ. કારણ, તું જે પંથનો છે તે પંથની વિરુદ્ધ લોકો બધી જગ્યાએ બોલે છે.” તેથી તેમણે પાઉલની સાથે એક દિવસ નક્કી કર્યો અને તે દિવસે તેઓ મોટી સંખ્યામાં પાઉલના નિવાસસ્થાને આવ્યા. તેણે સવારથી સાંજ સુધી તેમને સમજાવ્યું અને ઈશ્વરના રાજ વિષેનો સંદેશો આપ્યો. મોશેના નિયમશાસ્ત્રમાંથી તેમ જ સંદેશવાહકોનાં લખાણોમાંથી ઈસુ વિષેનાં કથનો ટાંકીને તેણે તેમને ખાતરી કરાવવાનો પ્રયત્ન કર્યો. તેમનામાંના કેટલાક તેનાં વચનોથી ખાતરી પામ્યા, પણ બીજાઓએ વિશ્વાસ કર્યો નહિ. પછી તેઓ અંદરોઅંદર સહમત નહિ થતાં જતા રહ્યા, પણ તેઓ જતા હતા ત્યારે પાઉલે તેમને કહ્યું, “પવિત્ર આત્માએ સંદેશવાહક યશાયા દ્વારા તમારા પૂર્વજોને કેટલું સચોટ કહ્યું હતું! “કારણ, તેણે કહ્યું, ‘જઈને આ લોકોને કહે, તમે સાંભળ્યા જ કરશો, પણ સમજશો નહિ; તમે જોયા જ કરશો, પણ તમને સૂઝશે નહિ. કારણ, આ લોકોનાં મન કઠણ થઈ ગયાં છે, તેમણે પોતાના કાન બંધ કરી દીધા છે, અને તેમણે પોતાની આંખો મીચી દીધી છે. નહિ તો, તેઓ આંખોથી જોઈને, કાનથી સાંભળીને, મનથી સમજીને, મારી તરફ ફરત અને હું તેમને સાજા કરત, એમ પ્રભુ કહે છે.” પાઉલે સાર આપતાં કહ્યું, “તમારે જાણવું જોઈએ કે ઉદ્ધાર વિષેનો ઈશ્વરનો સંદેશો બિનયહૂદીઓને પહોંચાડવામાં આવ્યો છે. તેઓ તો સાંભળશે.” પાઉલે એટલું કહ્યા પછી યહૂદીઓ અંદરોઅંદર ઉગ્ર વિવાદ કરતા કરતા ચાલ્યા ગયા. પાઉલ ભાડાના મકાનમાં બે વર્ષ સુધી રહ્યો, અને તે તેને મળવા આવનાર બધાનો સત્કાર કરતો. પૂરી હિંમત અને કશા અવરોધ વિના તેણે ઈશ્વરના રાજ વિષે પ્રચાર કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે શિક્ષણ આપ્યું. ઈસુ ખ્રિસ્તનો સેવક હું પાઉલ તમને લખું છું. ઈશ્વરે મને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે, અને તેમના શુભસંદેશના પ્રચાર માટે અલગ કર્યો છે. ઈશ્વરે આ શુભસંદેશ વિષેનું વચન તેમના સંદેશવાહકો દ્વારા અગાઉથી આપ્યું હતું, અને તે ધર્મશાસ્ત્રમાં લખાયેલું છે. આ શુભસંદેશ તેમના પુત્ર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે. માનવ શરીરના સંબંધમાં તો તે દાવિદના કુળમાં જન્મેલા હતા; પણ પવિત્ર આત્માના પ્રતાપે તે ફરીથી સજીવન થયા, અને પરાક્રમથી તેમને ઈશ્વરના પુત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. એમની મારફતે મને પ્રેષિત થવાની કૃપા સાંપડી છે; જેથી ઈશ્વરના મહિમાને અર્થે સર્વ પ્રજાઓ વિશ્વાસ કરીને તેમને આધીન થાય. તમે પણ ઈશ્વરના આમંત્રણને આધીન થઈને ઈસુ ખ્રિસ્તના થયા છો; તેથી આ પ્રજાઓમાં તમ રોમનોનો પણ સમાવેશ થાય છે. માટે તમે જેઓ ઈશ્વરને પ્રિય છો અને જેમને પવિત્ર થવા આમંત્રણ આપવામાં આવેલું છે, તેવા તમ રોમમાં રહેનારાઓને હું લખું છું. ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ આપો. સૌ પ્રથમ હું તમ સર્વને માટે ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું; કારણ, આખી દુનિયામાં તમારા વિશ્વાસની વાત જાહેર થઈ છે. જે ઈશ્વરની સેવા હું તેમના પુત્ર સંબંધીનો શુભસંદેશ જાહેર કરીને કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિત્ય મારી પ્રાર્થનામાં તમને યાદ કરું છું. ઈશ્વરની ઇચ્છા હોય તો તમારી પાસે આવવાનું શકાય બને એવી મારી હંમેશાની પ્રાર્થના છે. તમને મળવાની મને બહુ ઇચ્છા છે; કારણ, મારે તમને દૃઢ કરવા કંઈક આત્મિક ભેટ આપવી છે. એટલે મારા કહેવાનો અર્થ એ છે કે મારા વિશ્વાસથી તમને, અને તમારા વિશ્વાસથી મને મદદ મળે. ભાઈઓ, જેમ બીજા વિધર્મીઓમાં મારા કાર્યનું પરિણામ આવે છે, તેમ તમારામાં પણ આવે તે માટે મેં ઘણીવાર તમારી મુલાકાત લેવાની ઇચ્છા રાખી, પણ દરેક વખતે કંઈ ને કંઈ અડચણ પડી છે. આ વાત વિષે તમે અજાણ્યા રહો એવું હું ઇચ્છતો નથી. સંસ્કારી ગ્રીકો અને પછાત બર્બરો, જ્ઞાનીઓ તેમ જ અજ્ઞાનીઓનો પણ હું દેવાદાર છું. તેથી તમ રોમમાં વસનારાઓને પણ હું શુભસંદેશ પ્રગટ કરવા આતુર છું. શુભસંદેશ વિષે હું શરમાતો નથી. કારણ, એ તો દરેક વિશ્વાસ કરનારને બચાવનારું ઈશ્વરનું સામર્થ્ય છે - પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને. શુભસંદેશમાં માણસોને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો માર્ગ પ્રગટ કરવામાં આવેલો છે. એ તો આરંભથી અંત સુધી વિશ્વાસથી જ શકાય છે. શાસ્ત્રમાં લખેલું છે કે, “વિશ્વાસથી ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવેલ વ્યક્તિ જીવન પામશે.” પોતાની દુષ્ટતાથી સત્યને જાહેર થતું રોકી રાખનાર માણસોની સઘળી નાસ્તિક્તા અને દુષ્ટતા ઉપર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. ઈશ્વર વિષેનું જાણી શકાય તેવું બધું જ્ઞાન તેમની આગળ ખુલ્લું જ છે. ઈશ્વર તેમને શિક્ષા કરે છે; કારણ, ઈશ્વરે જ તે પ્રગટ કરેલું છે. ઈશ્વરના અદૃશ્ય ગુણો, એટલે તેમનું સનાતન સામર્થ્ય અને તેમનો દૈવી સ્વભાવ સૃષ્ટિના આરંભથી જ સરજેલી વસ્તુઓના અવલોકન દ્વારા સ્પષ્ટ રીતે જાણી શકાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે તેમ છે જ નહિ. તેઓ ઈશ્વર વિષે જાણે છે પણ તેમનું ઈશ્વર તરીકે સન્માન કરતા નથી કે તેમનો આભાર માનતા નથી. તેઓ વ્યર્થ કલ્પનાઓ કરે છે અને તેમનાં સમજ વિહોણાં મન અંધકારમય થાય છે. ડાહ્યા હોવાનો દાવો કરતા હોવા છતાં હકીક્તમાં તો તેઓ મૂર્ખ છે. અવિનાશી ઈશ્વરના મહિમાને બદલે તેઓ સર્વ સજીવ સૃષ્ટિની એટલે કે, નાશવંત માનવી, પંખી અને ચોપગાં તથા પેટે ચાલનારાં પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવીને તેમની ભક્તિ કરે છે. માણસોની આવી મૂર્ખાઈને કારણે ઈશ્વરે તેમને તેમના અંત:કરણની દુર્વાસનાઓને સુપરત કરી દીધા છે. પરિણામે, તેઓ એકબીજાનાં શરીરોને ભ્રષ્ટ કરવા લાગ્યા છે. તેઓ ઈશ્વરના સત્યને બદલે જૂઠ સ્વીકારે છે અને સરજનહારની (જે સર્વકાળ સ્તુતિને યોગ્ય છે; આમીન) ભક્તિ કરવાને બદલે સર્જનની સેવાભક્તિ કરે છે. આ કારણથી ઈશ્વરે તેમને તેમની શરમજનક દુર્વાસના સંતોષવાને ત્યજી દીધા છે. તેમની સ્ત્રીઓ પણ અકુદરતી કુકર્મો દ્વારા તેમની જાતીયતાનો ગેરઉપયોગ કરે છે. એ જ પ્રમાણે પુરુષો સ્ત્રીઓ સાથેનો કુદરતી જાતીય વ્યવહાર ત્યજી દઈને એકબીજા પ્રત્યે ક્માતુર થાય છે. પુરુષ પુરુષની સાથે સમાગમ કરીને પોતાની ભૂલની સજા પોતાના શરીરમાં ભોગવે છે. ઈશ્વર વિષેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇમકાર કરે છે. એને લીધે, ન કરવાં જેવાં કામો કરવા માટે ઈશ્વર તેમને ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે. તેઓ બધા પ્રકારના દુર્ગુણો એટલે અધર્મ, બૂરાઈ, લોભ, દુષ્ટતા, ઈર્ષા, હિંસા, ઝઘડા, કપટ અને દ્વેષભાવથી ભરપૂર છે. તેઓ ચુગલીખોર, નિંદાખોર, ઈશ્વરનો ઇન્કાર કરનારા, ઉદ્ધત, અભિમાની, બડાઈખોર, કપટી, માતાપિતાની આજ્ઞા નહિ માનનારા, અનૈતિક, વિશ્વાસઘાતી, ક્રૂર અને દયાહીન બને છે. ઈશ્વર આવા દુરાચારીઓને મૃત્યુને યોગ્ય ઠરાવે છે, એવો ઈશ્વરનો નિયમ જાણ્યા છતાં તેઓ એવાં ક્મ કરે છે. એટલું જ નહિ, પણ એવાં ક્મ કરનારાઓને માન્ય રાખે છે. હે મારા મિત્ર, શું તું બીજાનો ન્યાય કરવા બેસે છે? તું ગમે તે કેમ ન હોય, તું પોતાનો બચાવ કરી શકે તેમ નથી. કારણ, તું જેમાં બીજાનો ન્યાય કરે છે, તેમાં જ તું તારી જાતને પણ દોષિત ઠરાવે છે. તેઓ જે કરે છે, તે તું પણ કરે છે. આપણે જાણીએ છીએ કે આવાં ક્મ કરનારને ઈશ્વર સજા ફરમાવે એ વાજબી છે. પરંતુ મિત્ર, તું એવાં ક્મ માટે બીજાઓનો ન્યાય કરે છે અને એ જ કામો તું પોતે પણ કરે છે! શું તું એમ માને છે કે એમ કરવાથી તું ઈશ્વરની સજામાંથી નાસી છૂટીશ? અથવા ઈશ્વરના માયાળુપણાનો, સહનશીલતાનો અને ધીરજનો શું તું અવળો અર્થ કરે છે? તને એટલું ભાન નથી કે તું પસ્તાવો કરવા તૈયાર થાય એટલા જ માટે ઈશ્વર દયા રાખે છે? તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે. તે દિવસે ઈશ્વરનો કોપ અને અદલ ઇન્સાફ જાહેર થશે, અને તે દરેકને તેનાં કૃત્યો અનુસાર બદલો આપશે. જેઓ ઈશ્વરની બીક રાખીને હંમેશા સારાં ક્મ કર્યા કરે છે અને માન તથા અમરત્વ શોધે છે, તેમને જ સર્વકાળનું જીવન મળશે. જેઓ સ્વાર્થી છે અને સત્યનો ઇન્કાર કરીને જૂઠને અનુસરે છે, તેમના ઉપર કોપ તથા ક્રોધ ઊતરશે. ભૂંડા ક્મ કરનાર દરેક વ્યક્તિને - પ્રથમ પ્રભુના લોક યહૂદીને અને પછી ગ્રીકને - વિપત્તિ તથા વેદના સહન કરવાં પડશે. સારાં ક્મ કર્યે રાખનાર દરેક વ્યક્તિને - પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને - મહિમા, માન તથા શાંતિ પ્રાપ્ત થશે. ઈશ્વરની પાસે કોઈ ભેદભાવ નથી. બિનયહૂદીઓ પાસે મોશેનું નિયમશાસ્ત્ર નથી; પણ તેઓ પાપ તો કરે છે. તેથી નિયમશાસ્ત્ર ન હોવા છતાં તેઓ નાશ પામશે. યહૂદીઓની પાસે નિયમશાસ્ત્ર છે, અને છતાં તેઓ પાપ કરે છે. તેથી તેમને નિયમશાસ્ત્ર પ્રમાણે સજા થશે. કારણ, નિયમશાસ્ત્ર સાંભળનારા નહિ, પણ તેને આધીન થનારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવે છે. બિનયહૂદી પ્રજાઓની પાસે નિયમશાસ્ત્ર નથી. આમ છતાં, જ્યારે તેઓ સ્વાભાવિક પ્રેરણાથી જ નિયમશાસ્ત્ર પ્રમાણે વર્તે છે, ત્યારે તેમનું અંત:કરણ તેમને માટે નિયમરૂપ બની રહે છે. તેમનું વર્તન બતાવી આપે છે કે તેમનાં હૃદયોમાં નિયમ કોતરાયેલો છે. એ વાતની સાક્ષી તેમનાં અંત:કરણો પણ આપે છે; કારણ, તેમના વિચારો તેમને કોઈવાર દોષિત ઠરાવે છે, તો કોઈવાર નિર્દોષ ઠરાવે છે. મારા શુભસંદેશ પ્રમાણે ઈશ્વર ઈસુ ખ્રિસ્ત દ્વારા માણસોના ગુપ્ત વિચારોનો ન્યાય કરશે, તે દિવસે આ વાત સ્પષ્ટ થશે. હવે તારે વિષે શું? તું તો પોતાને યહૂદી તરીકે ઓળખાવે છે. તું નિયમશાસ્ત્ર ઉપર આધાર રાખે છે અને ઈશ્વર વિષે બડાઈ મારે છે; યોગ્ય શું છે તેનું શિક્ષણ તને નિયમશાસ્ત્રમાંથી મળેલું હોવાથી ઈશ્વર તારી પાસે શી અપેક્ષા રાખે છે તે તું જાણે છે; તું સાચા-જૂઠા વચ્ચેનો તફાવત પારખી શકે છે; તેં ખાતરીપૂર્વક માની લીધું છે કે તું આંધળાને માર્ગ બતાવનાર છે; જેઓ અંધકારમાં છે, તેમને પ્રકાશરૂપ છે; અજ્ઞાનીઓનો ગુરુ અને બાળકોનો શિક્ષક છે; તારી પાસે જે નિયમશાસ્ત્ર છે, તેમાં પૂર્ણ જ્ઞાન અને સત્ય સમાયેલાં છે, એવી તને ખાતરી છે; તો બીજાને ઉપદેશ આપનાર તું તારી પોતાની જાતને જ ઉપદેશ કેમ આપતો નથી? ચોરી કરવી નહિ, એવો ઉપદેશ આપીને શું તું ચોરી કરતો નથી? વ્યભિચાર કરવો નહિ, એવું જણાવીને શું તું વ્યભિચાર કરતો નથી? મૂર્તિઓની ઘૃણા કરનાર શું તું મંદિરો લૂંટતો નથી? અથવા નિયમશાસ્ત્ર વિષે બડાઈ કરીને અને છતાં નિયમનો ભંગ કરીને તું ઈશ્વરનું અપમાન કરતો નથી? ધર્મશાસ્ત્રમાં લખેલું છે તેમ, “તમ યહૂદીઓને લીધે ઈશ્વરનું નામ બિનયહૂદીઓમાં નિંદાય છે.” જો તું નિયમશાસ્ત્રને આધીન થાય, તો જ સુન્‍નત તને ફાયદાકારક છે. પણ જો તું નિયમશાસ્ત્રનો ભંગ કરે, તો પછી તારી સુન્‍નત કશા ક્મની નથી. એ જ પ્રમાણે જો કોઈ બિનયહૂદી તેની સુન્‍નત ન થઈ હોય, છતાં નિયમશાસ્ત્રની આજ્ઞાઓ પાળે છે, તો ઈશ્વર તેને સુન્‍નત કરાવેલા જેવો નહિ ગણે? તમને યહૂદીઓને બિનયહૂદીઓ દોષિત ઠરાવશે. કારણ, નિયમશાસ્ત્ર તથા સુન્‍નત હોવા છતાં તેં નિયમભંગ કર્યો છે; જ્યારે તેમની શારીરિક સુન્‍નત ન થઈ હોવાં છતાં તેઓ નિયમનું પાલન કરે છે. તો પછી સાચો યહૂદી કોણ? શારીરિક સુન્‍નત કરાવેલો? ના, બાહ્ય રીતે યહૂદી તે સાચો યહૂદી નથી અને શારીરિક સુન્‍નત તે સાચી સુન્‍નત નથી. પણ આંતરિક રીતે યહૂદી તે જ સાચો યહૂદી છે; તેના દયની સુન્‍નત નિયમના અક્ષરોથી નહિ, પણ ઈશ્વરના આત્માથી થયેલી છે. આવી વ્યક્તિના વખાણ માણસો ભલે ન કરે, પણ ઈશ્વર તેની પ્રશંસા કરે છે. તો પછી બિનયહૂદી કરતાં યહૂદીને શો ફાયદો? સુન્‍નત કરાવવાથી કંઈ લાભ ખરો? ખરેખર, દરેક રીતે ઘણો બધો લાભ છે. પ્રથમ તો, ઈશ્વરે પોતાના સંદેશાની સોંપણી યહૂદીઓને કરી. તેમનામાંના કેટલાક અવિશ્વાસુ નીવડયા તેથી શું? શું તેમનું અવિશ્વાસુપણું ઈશ્વરના વિશ્વાસુપણાને રદબાતલ કરશે? ના, કદી નહિ. પ્રત્યેક માણસ ભલે જૂઠો હોય, પણ ઈશ્વર તો સાચા જ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “જ્યારે તમે બોલશો ત્યારે તમે સાચા ઠરશો, અને જ્યારે તમારો ન્યાય કરવામાં આવે, ત્યારે તમારો વિજય થશે. પણ ઈશ્વર જે કરે છે તે સાચું છે એ વાત પણ આપણાં ભૂંડાં કાર્યોથી સ્પષ્ટ થતી હોય, તો આપણે કેવો અર્થ ઘટાવીશું? ઈશ્વર આપણા ઉપર કોપ કરવામાં અન્યાય કરે છે, એમ કહીશું? ના, એવું નથી. જો ઈશ્વર ન્યાયી ન હોય, તો તેઓ દુનિયાનો ન્યાય કેવી રીતે કરે? જો મારા જૂઠ્ઠથી ઈશ્વરનું સત્ય પ્રગટ થાય, અને એમ ઈશ્વરને મહિમા મળે, તો પછી મને પાપી તરીકેની સજા થાય ખરી? ભૂંડું કરવાથી કોઈનું ભલું થતું હોય તો તેમ કરવું જોઈએ એવું શિક્ષણ અમે આપીએ છીએ, એમ કહીને કેટલાક લોકો અમારી નિંદા કરે છે. એવાઓને સજા થાય એ વાજબી છે. તો પછી આપણે યહૂદીઓ બિનયહૂદીઓ કરતાં શું કંઈ સારી સ્થિતિમાં છીએ? ના, જરાય નહિ. અગાઉ મેં સમજાવ્યું છે તેમ યહૂદીઓ કે ગ્રીકો બધા પાપની સત્તા નીચે છે. શાસ્ત્રમાં લખેલું છે, “ન્યાયી હોય એવો એકેય માણસ નથી. ઈશ્વરની શોધ કરનાર અથવા તેમને સમજનાર કોઈ નથી. બધા ઈશ્વર તરફ પીઠ ફેરવીને માર્ગ ભૂલ્યા છે. સારું ક્મ કરનાર કોઈ નથી. ના, એકપણ નથી. તેમનું ગળું ખુલ્લી કબર છે. તેમની જીભમાંથી કપટી જૂઠ નીકળે છે. તેમના હોઠે સાપના ઝેર જેવા ક્તિલ શબ્દો છે. તેમનું મુખ કડવા શાપથી ભરેલું છે. તેમના પગ લોહી વહેવડાવવામાં ઉતાવળા છે. જ્યાં કંઈ તેઓ જાય છે, ત્યાં તેઓ વિનાશ તથા વેદના વેરે છે. તેમણે શાંતિનો માર્ગ જાણ્યો નથી. ઈશ્વરનો ડર રાખવાનું તેઓ શીખ્યા નથી.” આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્રમાં જે કંઈ લખેલું છે, તે જેઓ નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે તેમને લાગુ પડે છે; જેથી સર્વ માનવીબહાનાં બંધ થાય અને સમગ્ર દુનિયા ઈશ્વરના ન્યાયશાસન નીચે આવે. કારણ, નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરીને કોઈ માણસ ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવતું નથી. નિયમશાસ્ત્ર તો માણસોને ફક્ત પાપનું ભાન કરાવે છે. પણ હવે તો માનવી માટે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવાનો માર્ગ ખુલ્લો થયો છે. તેનો આધાર નિયમ ઉપર નથી. જોકે નિયમશાસ્ત્ર તેમ જ સંદેશવાહકોનાં પુસ્તકો એ બન્‍ને એ વિષે સાક્ષી આપે છે. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર બધાને ઈશ્વર સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારે છે. આ બાબતમાં કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી. કારણ, બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડયા છે અને ઈશ્વરના ગૌરવની સ્થિતિએ પહોંચવાથી વંચિત રહ્યા છે. પણ ઈશ્વરની કૃપાથી ખ્રિસ્ત ઈસુ દ્વારા મળતા છુટકારાને લીધે તેઓ સૌને વિના મૂલ્યે નિર્દોષ ઠરાવવામાં આવે છે. ઈશ્વરે ઈસુને તેમના બલિદાન પરના વિશ્વાસ દ્વારા પાપ નિવારણ અર્થે પ્રાયશ્ર્વિત તરીકે નિયત કર્યા છે અને એમ કરીને ઈશ્વરે પોતાની ન્યાયયુક્તતા જાહેર કરેલી છે. પ્રથમ તો ભૂતકાળના સંબંધમાં; કે જે વખતે થયેલાં પાપ વિષે ઈશ્વરે પોતાની સહનશીલતામાં સજા કરી નહોતી; બીજું વર્તમાન સમયના સંબંધમાં; કે જ્યારે ઈશ્વર પોતે ન્યાયી છે અને ઈસુ પર વિશ્વાસ કરનારને પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારે છે એવું દર્શાવે છે. તો હવે કોઈના ગર્વને સ્થાન ખરું? ના, નથી. કારણ, હવે નિયમપાલનનું નહિ, પણ વિશ્વાસનું મહત્ત્વ છે. છેવટે, આ બાબત સ્પષ્ટ થાય છે કે માણસ નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી નહિ, પણ ફક્ત વિશ્વાસથી જ ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થાય છે. શું ઈશ્વર ફક્ત યહૂદીઓના જ ઈશ્વર છે, અને બિનયહૂદીઓના નથી? હા, તેઓ બિનયહૂદીઓના પણ ઈશ્વર છે. ઈશ્વર એક જ છે. તે યહૂદીઓને તેમના વિશ્વાસને આધારે અને બિનયહૂદીઓને પણ તેમના વિશ્વાસને આધારે પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારશે. આમ કરવા જતાં વિશ્વાસને મહત્ત્વ આપીને શું અમે નિયમશાસ્ત્રને નિરર્થક જાહેર કરીએ છીએ? ના, એવું નથી. હકીક્તમાં તો અમે નિયમશાસ્ત્રનું સમર્થન કરીએ છીએ. આપણા વંશના પ્રથમ પૂર્વજ અબ્રાહામ વિષે આપણે શું કહીશું? જો તેણે કરેલાં કાર્યોને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ઠર્યો હોત, તો તેને ગર્વ લેવા જેવું કંઈક ખરું; પણ ઈશ્વર આગળ તે અભિમાન કરી શકે તેમ નથી. કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “અબ્રાહામે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, અને એ વિશ્વાસને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણાયો.” જે માણસ ક્મ કરે છે, તેને વેતન આપવામાં આવે છે. તેના વેતનને ભેટ ગણવામાં આવતી નથી. એ તો એની પોતાની કમાણી છે. પણ હવે જે માણસ પોતે કરેલાં કાર્યો પર નહિ, પણ દોષિતને નિર્દોષ ઠરાવનાર ઈશ્વર ઉપર વિશ્વાસ કરે છે, તેને ઈશ્વર તેના વિશ્વાસના આધારે પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણે છે. જે માણસને ઈશ્વર તેનાં કાર્યોને લક્ષમાં લીધા વિના જ તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણે છે, તેને ધન્ય છે, એવું દાવિદ પણ કહે છે: “જેમના અપરાધોની માફી આપવામાં આવી છે, અને જેમનાં પાપ ઢાંકી દેવામાં આવ્યાં છે, તેમને ધન્ય છે. જે માણસના પાપને ઈશ્વર હિસાબમાં નહિ લે, તે કેવો સુખી માણસ છે!” આવી આશિષ શું ફક્ત જેમણે સુન્‍નત કરાવેલી હોય તેમને જ માટે છે? ના, સુન્‍નત વગરનાઓ માટે પણ છે. આપણે ધર્મશાસ્ત્રમાંથી ઉલ્લેખ કર્યો કે, “અબ્રાહામે ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો, અને એ વિશ્વાસને લીધે ઈશ્વરે તેનો તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો.” આ બનાવ ક્યારે બન્યો? તેણે સુન્‍નત કરાવી તે પછી કે તે પહેલાં? સુન્‍નત કરાવ્યા પછી નહિ, પણ તે પહેલાં. તે સુન્‍નત વગરનો હતો ત્યારે વિશ્વાસ કરવાને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણાયો. તેથી એની મંજૂરીની મહોર તરીકે એને સુન્‍નતનું ચિહ્ન મળ્યું હતું. જેમની સુન્‍નત કરવામાં આવી નથી, પણ જેઓ ઈશ્વર ઉપર વિશ્વાસ કરીને તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત બને છે, તે બધાનો અબ્રાહામ આત્મિક પિતા બન્યો. માત્ર સુન્‍નત કરાવ્યાને લીધે જ નહિ, પણ સુન્‍નત કરાવ્યા પહેલાં આપણા પૂર્વજ અબ્રાહામને ઈશ્વરમાં જે વિશ્વાસ હતો તેનું અનુસરણ કરનાર સુન્‍નતીઓનો પણ તે પિતા છે. અબ્રાહામ તથા તેના વંશજોને નિયમના પાલનથી નહિ, પણ વિશ્વાસથી ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણવામાં આવ્યા હતા. તેથી ઈશ્વરે વચન આપ્યું કે આખી દુનિયા તેને વારસામાં મળશે. જો ઈશ્વરનું વચન નિયમ પાળનારાઓને આપવામાં આવતું હોય, તો માણસનો વિશ્વાસ નકામો છે અને ઈશ્વરનું વચન કંઈ જ નથી. નિયમશાસ્ત્ર તો ઈશ્વરનો કોપ લાવે છે. પણ જ્યાં નિયમ નથી, ત્યાં નિયમભંગ થતો નથી. ઈશ્વરનું વચન વિશ્વાસને આધારે આવ્યું હોવાથી જેઓ નિયમનું પાલન કરે છે તેમને જ નહિ, પણ જેઓ અબ્રાહામના જેવો વિશ્વાસ રાખે છે તેવા અબ્રાહામના બધા જ વંશજોને ઈશ્વરની અમૂલ્ય કૃપા દ્વારા ઈશ્વરનું વચન મળ્યું. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે.” એ રીતે અબ્રાહામ આપણો આત્મિક પિતા છે. જે મૂએલાંઓને સજીવન કરે છે અને જેમની આજ્ઞા દ્વારા બિનહયાત વસ્તુ અસ્તિત્વમાં આવે છે, તે જ ઈશ્વર ઉપર અબ્રાહામે વિશ્વાસ રાખ્યો હતો. આશા ફળીભૂત નહિ થાય એવું લાગતું હતું, ત્યારે અબ્રાહામે ઈશ્વર ઉપર ભરોસો મૂક્તાં આશા રાખી. તેથી તે “ઘણી પ્રજાઓનો પૂર્વજ” બન્યો. ધર્મશાસ્ત્રમાં લખેલું છે તેમ, “તારા વંશજો ઘણા થશે.” તેની ઉંમર લગભગ સો વર્ષની થઈ હતી, તેનું શરીર લગભગ મૃતપ્રાય થઈ ગયું હતું અને તેની પત્ની સારાને બાળક જનમવાની કોઈ શક્યતા ન હતી. આ બાબતો ધ્યાનમાં લીધા છતાં તેનો વિશ્વાસ ડગ્યો નહિ. ઈશ્વરના વરદાન ઉપર તે શંકા લાવ્યો નહિ. વિશ્વાસમાંથી ડગ્યા વગર દૃઢ રહીને તેણે ઈશ્વરને મહિમા આપ્યો. આપેલું વરદાન પૂર્ણ કરવાને ઈશ્વર સમર્થ છે એવી તેને સંપૂર્ણ ખાતરી હતી. એટલે જ અબ્રાહામને તેના વિશ્વાસને લીધે ઈશ્વરે પોતાની સમક્ષ સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સંસ્થાપિત થયેલો ગણ્યો. “તેને ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે ગણવામાં આવ્યો,” એ શબ્દો ફક્ત અબ્રાહામને માટે જ લખવામાં આવ્યા ન હતા; પણ આપણા પ્રભુ ઈસુને મરણમાંથી સજીવન કરનાર ઈશ્વર ઉપર જેઓ વિશ્વાસ કરે છે, તેમને માટે પણ એ જ શબ્દો છે. આપણા અપરાધોને લીધે ઈસુને મરણને આધીન કરવામાં આવ્યા અને આપણે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ ગણાઈને સ્વીકૃત થઈએ માટે તેમને સજીવન કરવામાં આવ્યા. આમ, વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લવાવાથી આપણને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાથે સુલેહશાંતિ થઈ છે. એમને જ આશરે વિશ્વાસ દ્વારા આપણે ઈશ્વરની કૃપામાં પ્રવેશ્યા છીએ અને એ કૃપામાં દૃઢ થઈએ છીએ. તે દ્વારા આપણે ઈશ્વરના મહિમાના સહભાગી થવાની આશામાં પ્રફુલ્લિત થઈએ છીએ. એટલું જ નહિ, પણ વિપત્તિઓમાં પણ હર્ષિત થઈએ છીએ. કારણ, આપણે જાણીએ છીએ કે વિપત્તિથી સહનશીલતા કેળવાય છે; સહનશીલતાથી ઘડતર થાય છે અને ઘડતર થવાથી આશા ઉદ્ભવે છે. આ આશા છેતરતી નથી. કારણ, ઈશ્વરે આપણને આપેલી તેમની ભેટ, એટલે પવિત્ર આત્મા દ્વારા આપણા અંત:કરણમાં તેમનો પ્રેમ રેડી દીધો છે. આપણે હજી લાચાર હતા, ત્યારે ઈશ્વરે ઠરાવેલા સમયે ખ્રિસ્ત અધર્મીઓને માટે મરણ પામ્યા. આમ તો, ન્યાયી વ્યક્તિને માટે કોઈ મરવા તૈયાર થાય તે જ મુશ્કેલ લાગે છે. છતાં, ધારો કે સારી વ્યક્તિને બદલે તો કોઈ મરવાની હિંમત બતાવે. પણ ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે! કારણ, આપણે જ્યારે પાપી હતા, ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા. તેમના બલિદાનને લીધે હવે આપણે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થયા છીએ. તો પછી તે આપણને ઈશ્વરના કોપથી બચાવી લેશે તે કેટલી વિશેષ ખાતરીપૂર્વકની વાત છે! આપણે ઈશ્વરના દુશ્મન હતા, પણ ઈશ્વરના પુત્રના મરણથી આપણને તેમના મિત્રો બનાવવામાં આવ્યા છે. હવે આપણે ઈશ્વરના મિત્રો બન્યા છીએ, તેથી ખ્રિસ્તના જીવનથી વિશેષ બચીશું એ કેટલું ખાતરીપૂર્વક છે! એટલું જ નહિ, ઈશ્વરના મિત્રો બન્યા હોવાને લીધે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરમાં આનંદ કરીએ છીએ. એક માણસ દ્વારા આ દુનિયામાં પાપ આવ્યું અને પાપ દ્વારા મરણ આવ્યું. વળી, સઘળાં માણસોએ પાપ કર્યું, તેથી સમગ્ર માનવજાતમાં મરણ પ્રસરી ગયું. નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું તે પહેલાં દુનિયામાં પાપ તો હતું; પણ નિયમ ન હોવાને કારણે પાપની નોંધ લેવાતી ન હતી. આદમથી મોશેના સમય સુધી બધા માણસો ઉપર મરણે રાજ કર્યું. જેમણે આદમની માફક આજ્ઞાભંગનું પાપ કર્યું ન હતું, તેમના ઉપર પણ મરણે રાજ કર્યું. આદમ તો ભવિષ્યમાં આવનારના પ્રતીકરૂપ હતો. પણ તેઓ બન્‍ને સરખા નથી. કારણ, ઈશ્વરની અમૂલ્ય ભેટ આદમના પાપ જેવી નથી. એ ખરું છે કે એક માણસના પાપથી ઘણા માણસો મરણ પામ્યા. તો એક માણસ, એટલે કે, ઈસુ ખ્રિસ્તની મારફતે મળેલી ઈશ્વરની કૃપા, તેમ જ તેમની અમૂલ્ય ભેટ બધાને માટે એથી પણ વિશેષ છે. ઈશ્વરની ભેટ અને એક માણસના પાપ વચ્ચે તફાવત છે. એક માણસના અપરાધને પરિણામે આપણે દોષિત ઠર્યા; જ્યારે અનેક અપરાધો પછી આવેલ કૃપાદાને આપણને નિર્દોષ જાહેર કર્યા. એક માણસના પાપના પરિણામે મરણે રાજ કર્યું; પણ ઈસુ ખ્રિસ્તના કાર્યનું પરિણામ વિશેષ છે. જે કોઈ ઈશ્વરની ભરપૂર કૃપા તથા દોષમુક્તિની અમૂલ્ય ભેટ સ્વીકારે છે, તે ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવનમાં રાજ કરશે. એક પાપને પરિણામે બધા માણસો દોષિત ઠર્યા. તેવી જ રીતે એક ન્યાયયુક્ત કાર્ય બધા માણસોને નિર્દોષ જાહેર કરી જીવન આપે છે. એક માણસે આજ્ઞા તોડી અને બધાં પાપી થયાં, તેવી જ રીતે એક માણસના આજ્ઞાપાલનથી બધાં ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવશે. નિયમશાસ્ત્ર આવવાથી અપરાધોમાં વધારો થયો, પણ જેમ પાપ વયું, તેમ ઈશ્વરની કૃપા એથીય વિશેષ વધી. પાપે મરણ દ્વારા રાજ કર્યું, પણ હવે ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને સાર્વકાલિક જીવનમાં દોરી જનાર દોષમુક્તિ દ્વારા ઈશ્વરની કૃપા રાજ કરે છે. તો પછી આપણે શું કહીશું? ઈશ્વરની કૃપા વધતી જાય તે માટે આપણે પાપમાં જીવવાનું ચાલુ રાખીશું? ના, કદી નહિ. આપણે પાપ સંબંધી મરણ પામ્યા છીએ, તો પછી આપણે કેવી રીતે તેમાં જીવવાનું ચાલુ રાખી શકીએ? તમે આ વાત તો જાણો જ છો કે જ્યારે આપણે ખ્રિસ્તની સાથે બાપ્તિસ્મા પામ્યા, ત્યારે તેમના મરણની સાથે આપણે બાપ્તિસ્મા પામ્યા. આપણે આપણા બાપ્તિસ્માની મારફતે તેમની સાથે દટાયા, અને તેમના મરણના ભાગીદાર બન્યા; જેથી જેમ ઈશ્વરપિતાના મહિમાવંત સામર્થ્યથી ખ્રિસ્ત મરણમાંથી જીવતા થયા, તેમ આપણે પણ નવા જીવનમાં જીવીએ. જો આપણે તેમની સાથે મરણમાં એકરૂપ થયા, તો જેમ તેમને સજીવન કરવામાં આવ્યા તેમ આપણે પણ તેમની સાથે જીવનમાં એકરૂપ થઈશું. આપણે જાણીએ છીએ કે આપણું જૂનું વ્યક્તિત્વ ખ્રિસ્તની સાથે તેમના ક્રૂસ પર મરણ પામ્યું; એ માટે કે આપણી પાપી પ્રકૃતિના બળનો નાશ થાય અને આપણે હવેથી પાપના ગુલામ રહીએ નહિ. જ્યારે કોઈ વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તે પાપની સત્તામાંથી મુક્ત થાય છે. આપણે માનીએ છીએ કે જો આપણે ખ્રિસ્તની સાથે મરણ પામ્યા, તો તેમની સાથે જીવીશું પણ ખરા. ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે અને તે ફરી કદી મરનાર નથી. હવેથી તેમના ઉપર મરણનો કોઈ અધિકાર નથી. તે પાપના સંબંધમાં ફક્ત એક જ વાર મરણ પામ્યા; પણ ઈશ્વરના સંબંધમાં તે હવે જીવે છે. એ જ રીતે તમે પોતાને પાપના સંબંધમાં મરણ પામેલા અને ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરના સંબંધમાં જીવતા ગણો. પાપને તમારા નાશવંત શરીરમાં રાજ કરવા દઈ તમારા દેહની ભૂંડી ઇચ્છાઓને આધીન થશો નહિ. ખરાબ હેતુના ઉપયોગને અર્થે તમારા કોઈ અવયવની સોંપણી પાપને ન કરો. એથી ઊલટું, તમને મરણમાંથી જીવનમાં લાવવામાં આવ્યા છે, માટે તમારી સોંપણી ઈશ્વરને કરો અને તમારા અવયવોને સદાચાર માટે ઈશ્વરને સોંપી દો. પાપે તમારા પર રાજ કરવું ન જોઈએ. કારણ, હવે તમે નિયમ નીચે નહિ, પણ ઈશ્વરની કૃપામાં જીવન જીવો છો. તેથી શું? આપણે નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છીએ, તેથી પાપ કર્યા કરીએ? ના, કદી નહિ. તમે આટલું તો જાણો છો કે જ્યારે કોઈને આધીન થવા તમે તમારી જાતને ગુલામ તરીકે સોંપો છો, ત્યારે તમે જે માલિકને આધીન થાઓ છો, તેના તમે ગુલામ છો - એટલે પાપના, કે જેનું પરિણામ મરણ છે; અથવા આજ્ઞાપાલનના, કે જેને પરિણામે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થવાય છે. ઈશ્વરનો આભાર માનો; કારણ, તમે એક વેળાએ પાપના ગુલામ હતા, પરંતુ તમને આપવામાં આવેલું શિક્ષણ તમે અંત:કરણથી સ્વીકાર્યું છે. તમને પાપમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તમે સદાચારના ગુલામ છો. તમારી સમજવાની નિર્બળતાને કારણે હું માનવી ભાષા વાપરું છું. એક સમયે તમે તમારી જાતને દુષ્ટ હેતુને માટે સંપૂર્ણ રીતે અશુદ્ધતા અને દુષ્ટતાને સોંપી દીધી હતી. હવે, તે જ રીતે પવિત્ર હેતુને માટે તમે તમારી જાતને સંપૂર્ણ રીતે સદાચારને સોંપી દો. જ્યારે તમે પાપના ગુલામ હતા, ત્યારે સદાચારથી સ્વતંત્ર હતા. જે બાબતો કરવાની અત્યારે તમને શરમ આવે છે તે કરવાથી, તમને તે વખતે શો લાભ મળ્યો હતો? તે બાબતોનું પરિણામ તો મરણ છે. પણ હવે તમે પાપથી મુક્ત થયા છો અને ઈશ્વરના ગુલામ બન્યા છો. એમ તમારું જીવન પ્રભુને સંપૂર્ણપણે સોંપાયેલું છે, અને પરિણામે તમને સાર્વકાલિક જીવન મળે છે. કારણ, પાપ એના વેતન તરીકે મરણ આપે છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાર્વકાલિક જીવનની અમૂલ્ય ભેટ આપે છે. ભાઈઓ, તમે નિયમશાસ્ત્રથી પરિચિત છો અને જાણો છો કે માણસ જીવતો હોય ત્યાં સુધી જ તેના પર નિયમ ચાલે છે. દાખલા તરીકે, પરણેલી સ્ત્રી તેનો પતિ જીવંત હોય ત્યાં સુધી જ તેની સાથે રહેવા નિયમથી બંધાયેલી છે. જો તેનો પતિ મૃત્યુ પામે, તો પતિની સાથેના સંબંધને લગતા નિયમથી તે સ્વતંત્ર થાય છે. પણ તેનો પતિ જીવંત હોય, ત્યારે જો તે બીજા પુરુષની સાથે રહે, તો તેણે વ્યભિચાર કર્યો કહેવાય. પણ જો તેનો પતિ મરી જાય, તો તે નિયમથી છૂટી છે, અને જો તે બીજા પુરુષ સાથે પરણે, તો વ્યભિચાર કર્યો ન કહેવાય. ભાઈઓ, તમારા વિષે પણ એવું છે. તમે પણ ખ્રિસ્તની સાથે નિયમશાસ્ત્રના સંબંધમાં મરી ગયા છો; કારણ, તમે ખ્રિસ્તના શરીરના અવયવ છો, અને હવે તમે મરણમાંથી સજીવન થયેલા ખ્રિસ્તના છો; જેથી તમે ઈશ્વરની ફળદાયી સેવા કરો. કારણ, જ્યારે આપણે માનવી સ્વભાવ પ્રમાણે જીવતા હતા, ત્યારે નિયમશાસ્ત્રે જગાડેલી પાપી વાસનાઓ આપણામાં કાર્યરત હતી, અને આપણે જે કંઈ કરતા તે મરણજનક હતું. હવે આપણે નિયમશાસ્ત્રથી મુક્ત છીએ. કારણ, જેણે આપણને એકવાર કેદી બનાવેલા તેના સંબંધી આપણે મરણ પામ્યા છીએ. હવે આપણે લેખિત નિયમની જૂની રીતરસમ પ્રમાણે સેવા કરતા નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણા પ્રમાણે નવીન રીતે સેવા કરીએ છીએ. તો પછી આપણે શું કહીશું? શું નિયમશાસ્ત્ર પાપી છે? ના, એવું નથી. પણ પાપ શું છે એનું ભાન મને નિયમથી થયું. જો નિયમશાસ્ત્રે એમ કહ્યું ન હોત કે, “લોભ ન રાખ,” તો લોભ રાખવો એટલે શું તે મેં જાણ્યું ન હોત. નિયમ દ્વારા પાપને મારી અંદર સઘળા પ્રકારનો લોભ ઉત્પન્‍ન કરવાની તક મળી. નિયમ વગર પાપ મરેલું છે. એક વખત હું નિયમ વિના જીવતો હતો. પણ આજ્ઞા આવી કે તરત જ પાપ મારામાં જીવંત બન્યું, અને હું મરી ગયો. જે આજ્ઞા જીવન લાવવા માટે હતી, તે તેને બદલે મારામાં મરણ લાવી. પાપને મારામાં તક મળવાથી તેણે આજ્ઞાની મારફતે મને છેતર્યો. આજ્ઞાને આધારે પાપે મને મારી નાખ્યો. નિયમશાસ્ત્ર તો પવિત્ર છે; અને આજ્ઞા પવિત્ર, સાચી અને સારી છે. તો એનો અર્થ એ છે કે જે સારું છે તેણે મારું મોત નિપજાવ્યું? ના, કદી નહિ. એ કરનાર તો પાપ હતું. સારાનો ઉપયોગ કરીને પાપ મારી પાસે મરણ લાવ્યું; જેથી તેનો ખરો સ્વભાવ પ્રગટ થાય. આમ, આજ્ઞા મારફતે પાપ વધુ બદતર બને છે. આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર ઈશ્વરે આપેલું છે; પરંતુ હું પૃથ્વીનો માનવી છું. હું ગુલામ તરીકે પાપને વેચાયેલો છું. હું જે કરું છું તે હું સમજી શક્તો નથી: હું જે કરવા ધારું છું તે હું કરતો નથી. એને બદલે, હું જેને ધિક્કારું છું તે હું કરું છું. તેથી હું જે કરવા માગતો નથી તે કરું છું ત્યારે નિયમશાસ્ત્ર સારું છે, એ વાત પુરવાર થાય છે. તેથી આ જે કરનાર છે તે હું નહિ, પણ મારામાં વસી રહેલું પાપ કરે છે. હું જાણું છું કે મારા માનવી સ્વભાવમાં કંઈ જ સારું રહેતું નથી. જોકે મારામાં સારું કરવાની તમન્‍ના તો છે, તો પણ હું તેમ કરી શક્તો નથી. જે સારું મારે કરવું જોઈએ, તે હું કરતો નથી. એથી ઊલટું, જે ખરાબ મારે ન કરવું જોઈએ તે હું કરું છું. જે મારે ન કરવું જોઈએ તે હું કરું છું, તો એનો અર્થ એ થાય કે એ તો હું નહિ, પણ મારામાં વસતું પાપ તે કરે છે. મારામાં આ સિદ્ધાંત કાર્યશીલ છે: જ્યારે હું સારું કરવા માગું છું, ત્યારે ખરાબ પસંદ થઈ જાય છે. મારો અંતરાત્મા ઈશ્વરના નિયમમાં આનંદ કરે છે. પણ મારા શરીરમાં હું એક બીજા સિદ્ધાંતને કાર્ય કરતો અનુભવું છું. તે સિદ્ધાંત મારા મનથી સ્વીકારેલા સિદ્ધાંતની વિરુદ્ધ લડાઈ કરે છે. મારા શરીરમાંનો પાપનો સિદ્ધાંત મને કેદી બનાવે છે. હું કેવો દુ:ખી માનવી છું! મરણને માર્ગે લઈ જનાર પાપના સિદ્ધાંતના નિયંત્રણ નીચેના શરીરથી મને કોણ બચાવશે? ઈશ્વર! આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરનો આભાર! જોકે મારી હાલત તો આવી છે: મારા મનથી હું ઈશ્વરના નિયમને આધીન થાઉં છું; પણ મારા પાપી સ્વભાવને લીધે હું પાપના નિયમને આધીન થાઉં છું. જેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા છે તેમને માટે કોઈ સજા નથી; કારણ, ખ્રિસ્ત ઈસુની સાથે મેળવાયા હોવાથી આત્માનો નિયમ મને જીવન આપે છે. તેણે મને પાપ અને મરણના નિયમથી મુક્ત કર્યો છે. માનવી સ્વભાવની દુર્બળતાને કારણે નિયમશાસ્ત્ર જે કરી શકાયું નહિ તે ઈશ્વરે કર્યું. તેમણે પાપ કરવાની ક્ષમતા ધરાવતા આપણા માનવી સ્વભાવ જેવો સ્વભાવ લઈને પોતાના પુત્રને પ્રાયશ્ર્વિત બલિ તરીકે મોકલ્યા અને માનવી સ્વભાવમાં રહેલી પાપવૃત્તિને સજા ફરમાવી. આપણે જેઓ માનવી સ્વભાવ પ્રમાણે નહિ, પણ આત્માથી જીવીએ છીએ, તેમનામાં નિયમની યોગ્ય માગણીઓ પરિપૂર્ણ થાય તે માટે ઈશ્વરે એ પ્રમાણે કર્યું. જેઓ માનવી સ્વભાવ પ્રમાણે જીવે છે, તેમનાં મન માનવી સ્વભાવના કાબૂમાં છે. જેઓ આત્મા પ્રમાણે જીવે છે, તેમનાં મન આત્માના કાબૂમાં છે. માનવી સ્વભાવને આધીન થતાં મરણ આવે છે; જ્યારે આત્માને આધીન થતાં જીવન તથા શાંતિ મળે છે. માનવી સ્વભાવ પ્રમાણે ચાલતો માણસ ઈશ્વરનો દુશ્મન બને છે; કારણ, તે ઈશ્વરના નિયમને આધીન થતો નથી. હકીક્તમાં તો, તે આધીન થઈ શક્તો જ નથી. જેઓ પોતાના માનવી સ્વભાવને આધીન થાય છે, તેઓ ઈશ્વરને પ્રસન્‍ન કરી શક્તા નથી. જો તમારામાં ઈશ્વરનો આત્મા વસતો હોય, તો તમે માનવી સ્વભાવ પ્રમાણે નહિ, પણ આત્મા પ્રમાણે જીવો છો. જેની પાસે ખ્રિસ્તનો આત્મા નથી, તે ખ્રિસ્તનો નથી. જો ખ્રિસ્ત તમારામાં વસે છે, તો પાપને કારણે તમારું શરીર તો મરણશીલ છે; પણ ઈશ્વર સાથે સુમેળમાં આવ્યા હોવાથી તમારો આત્મા જીવે છે. જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તે ઈશ્વરનો આત્મા જો તમારામાં વસે છે, તો જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા તે તમારાં નાશવંત શરીરોને તમારામાં વસનાર આત્માની મારફતે સજીવન કરશે. તેથી, મારા ભાઈઓ, આપણે જવાબદાર છીએ, પણ આપણા માનવી સ્વભાવ પ્રમાણે જીવવાને બંધાયેલા નથી. જો તમે માનવી સ્વભાવ પ્રમાણે જીવશો, તો મરશો જ; પણ આત્માથી પાપી કાર્યોને મારી નાખો, તો તમે જીવશો. જેઓ ઈશ્વરના આત્માથી દોરાય છે, તેઓ ઈશ્વરના પુત્રો છે. ઈશ્વરે જે આત્મા તમને આપ્યો છે, તે તમને ગુલામ બનાવતો નથી, કે નથી તમને ગભરાવતો. એથી ઊલટું, પવિત્ર આત્મા આપણને ઈશ્વરના પુત્રો બનાવે છે. પવિત્ર આત્માની પ્રેરણાશક્તિથી આપણે ઈશ્વરને “આબ્બા, “ એટલે “મારા પિતા” કહીને પોકારીએ છીએ. આપણા આત્માની સાથે ઈશ્વરનો આત્મા જાહેર કરે છે કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ. આમ, ઈશ્વરનાં બાળકો હોવાથી આપણે તેમના વારસદાર છીએ; એટલે કે, ઈશ્વરના વારસામાં ખ્રિસ્તની સાથે સહભાગી છીએ. કારણ, જો આપણે ખ્રિસ્તના દુ:ખમાં ભાગીદાર થઈએ, તો તેમના મહિમાના ભાગીદાર પણ બનીશું. અત્યારે આપણે જે દુ:ખો સહન કરીએ છીએ, તેમની સાથે આપણને પ્રગટ થનાર મહિમાની સરખામણી કરી શકાય નહિ. ઈશ્વર પોતાના પુત્રોને પ્રગટ કરે તે માટે આખી સૃષ્ટિ આતુરતાથી રાહ જુએ છે. સૃષ્ટિ તેની પોતાની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી વિનાશીપણાનો ભોગ થઈ ગઈ. છતાં સૃષ્ટિ પોતે પણ એક દિવસે વિનાશીપણાની ગુલામીમાંથી મુક્ત થશે, અને ઈશ્વરના પુત્રો સાથે મહિમાવંત સ્વતંત્રતાની ભાગીદાર થશે એવી આશામાં છે. અત્યારે તો સમગ્ર સૃષ્ટિ પ્રસૂતિની વેદના જેવી વેદના ભોગવી રહી છે. ફક્ત સૃષ્ટિ જ નહિ, પણ આપણે, કે જેમને ઈશ્વર તરફથી પ્રથમ બક્ષિસ તરીકે પવિત્ર આત્મા મળેલો છે, તેઓ પણ એ વેદના ભોગવીએ છીએ. ઈશ્વર આપણને તેમના પુત્રો બનાવે અને આપણા આખા વ્યક્તિત્વનો ઉદ્ધાર કરે, એની રાહ આપણે જોઈએ છીએ. કારણ, એ આશાએ આપણે ઉદ્ધાર પામ્યા છીએ. જે વસ્તુ દેખાતી હોય તેને માટે આશા રાખવી એ આશા જ નથી. કારણ, જે વસ્તુ દેખાય છે તેને માટે આશા કોણ રાખે? આપણે જે દેખાતું નથી તેની આશા રાખીએ છીએ, અને ધીરજથી તેની વાટ જોઈએ છીએ. વળી, આપણે નિર્બળ હોવાથી પવિત્ર આત્મા આપણી મદદ કરે છે. પ્રાર્થનામાં શું માગવું તેની આપણને ખબર નથી. તેથી પવિત્ર આત્મા પોતે ઈશ્વર આગળ આપણે માટે વિનવણી કરે છે; અને એ ઉદ્ગારોને શબ્દોમાં મૂકી શકાય નહિ. અંત:કરણને પારખનાર ઈશ્વર આત્માનો વિચાર જાણે છે, કારણ, પવિત્ર આત્મા ઈશ્વરના લોકોને માટે ઈશ્વરની ઈચ્છા મુજબ તેમને વિનંતી કરે છે. જેઓ ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જેઓને તેમણે પોતાના ઇરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે તેમનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે. જેમને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા, તેઓ આબેહૂબ તેમના પુત્રના જેવા જ બને, તે માટે તેમને અલગ કર્યા; જેથી ઈશ્વરપુત્ર ઘણા ભાઈઓમાં સૌથી મોટા થાય. ઈશ્વરે જેમને અલગ કર્યા, તેમને તેમણે આમંત્રણ આપ્યું; વળી, ફક્ત આમંત્રણ આપ્યું એટલું જ નહિ, પણ તેમને પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર્યા. એથી ય વિશેષ, તેમણે તેમને પોતાના મહિમાના ભાગીદાર પણ કર્યા. આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે, તો આપણી વિરુદ્ધ કોણ? ઈશ્વરે પોતાના પુત્રને પાછા રાખ્યા નહિ, પણ આપણા બધાને માટે અર્પી દીધા, તો તે તેમની સાથે આપણને બધુંયે કેમ નહિ આપે? ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ આરોપ મૂકી શકે? ઈશ્વરે તેમને નિર્દોષ જાહેર કર્યા છે, તો પછી તેમને દોષિત કોણ ઠરાવે? ખ્રિસ્ત ઈસુ મરણ પામ્યા, સજીવન થયા અને હવે ઈશ્વરને જમણે હાથે બિરાજેલા છે, તે આપણે માટે ઈશ્વરને વિનવણી કરે છે. ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ અલગ પાડશે? શું દુ:ખો, વેદના, સતાવણી, દુકાળ, ગરીબાઈ, જોખમ કે મરણ? શાસ્ત્રમાં લખેલું છે: “તમારે લીધે આખો દિવસ અમારા પર મરણનો ભય તોળાઈ રહ્યો છે. અમને તો કાપવા માટેનાં ઘેટાં જેવાં ગણવામાં આવે છે.” તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ કર્યો, તેમની મારફતે આપણે એ બધી જ બાબતોમાં વિશેષ વિજયી બનીએ છીએ. મને ખાતરી છે કે કોઈ આપણને તેમના પ્રેમથી અલગ કરી શકે નહિ. કારણ કે, મરણ કે જીવન, દૂતો, અધિકારીઓ કે સત્તાધારીઓ, વર્તમાન કે ભાવિ, ઊંચું આકાશ કે ઊંડું ઊંડાણ અથવા આખી સૃષ્ટિની બીજી કોઈ પણ વસ્તુ, ઈશ્વરે જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં પ્રગટ કર્યો છે તેનાથી આપણને અલગ પાડી શકે તેમ નથી. હું ખ્રિસ્તનો છું તેથી સત્ય જણાવું છું, અને જૂઠું બોલતો નથી. પવિત્ર આત્માને આધીન થયેલી મારી પ્રેરકબુદ્ધિ ખાતરી આપે છે કે હું જૂઠું કહેતો નથી. મને અત્યંત શોક થાય છે. મારા લોકને માટે મારા હૃદયમાં હંમેશાં વેદના થાય છે. મારા જાતભાઈઓ, હા, મારા લોહીનાં સગાને ખાતર ઈશ્વરનો શાપ વહોરી લઈ ખ્રિસ્તથી જાણે કે વિમુખ થઈ જાઉં એવી ઇચ્છા મને થઈ આવે છે! ઇઝરાયલીઓ ઈશ્વરના પસંદ કરાયેલા લોક છે. પુત્રો થવાનો હક્ક, મહિમા, કરારો, નિયમશાસ્ત્ર, ભજનક્રિયા તથા ઈશ્વરનાં વચનો તેમને જ આપવામાં આવ્યાં છે. તેઓ જ આદિ પૂર્વજોના વંશજો છે. શારીરિક રીતે ખ્રિસ્ત પણ તેમના વંશના છે. સર્વ પર રાજ કરનાર ઈશ્વરનો સદા મહિમા હો! આમીન. મારું કહેવું એમ નથી કે ઈશ્વરનું વચન નિષ્ફળ ગયું છે. કારણ, સર્વ ઇઝરાયલ ઈશ્વરના પસંદ કરાયેલા લોક નથી. વળી, અબ્રાહામના બધા જ વંશજો કંઈ ઈશ્વરનાં સંતાનો નથી. ઈશ્વરે અબ્રાહામને કહ્યું, “ફક્ત ઇસ્હાકનાં સંતાનો તારા વંશમાં ગણાશે.” એટલે, કુદરતી રીતે જન્મ પામેલાંઓ ઈશ્વરનાં સંતાનો નથી; પણ ઈશ્વરના વચન પ્રમાણે જેઓ જન્મ પામ્યા છે, તેઓ ખરા વંશજો ગણાય છે. કારણ, ઈશ્વરનું વચન આવા શબ્દોમાં મળ્યું હતું: “યોગ્ય સમયે હું પાછો આવીશ અને સારાને પુત્ર જનમશે.” એટલું જ નહિ, રિબકાને આપણા પૂર્વજ ઇસ્હાકથી બે પુત્રો થયા. બેમાંથી એક પુત્રની પસંદગી સંપૂર્ણપણે ઈશ્વરના ઇરાદા પ્રમાણે જ હતી એ જણાય તે માટે તેમણે તેને કહ્યું, “મોટો પુત્ર નાના પુત્રની સેવા કરશે.” તેમના જન્મ પહેલાં, અને હજુ તો તેમણે કંઈ સારું કે નરસું કર્યું ન હતું તે પહેલાં, આ વાત ઈશ્વરે કહી હતી. આમ, ઈશ્વરની પસંદગી કરેલાં કાર્યો પર નહિ, પણ ઈશ્વરના આમંત્રણ પર આધારિત હતી. ધર્મશાસ્ત્રમાં લખેલું છે: “યાકોબ ઉપર મેં પ્રેમ રાખ્યો, પણ એસાવનો ધિક્કાર કર્યો.” તો આપણે શું અનુમાન કરીએ? શું ઈશ્વર અન્યાયી છે? કદી નહિ. તેમણે મોશેને જણાવ્યું, “હું મારી ઇચ્છા પ્રમાણે કોઈના ઉપર દયા કે કૃપા કરીશ.” આથી પસંદગીનો આધાર માણસની ઇચ્છા કે કાર્ય ઉપર નહિ, પણ ફક્ત ઈશ્વરની દયા ઉપર છે. કારણ, શાસ્ત્રકથન ઇજિપ્તના રાજા ફેરો વિષે કહે છે: “તારી મારફતે હું મારું સામર્થ્ય દર્શાવું, અને મારું નામ આખી પૃથ્વી ઉપર જાહેર થાય, માટે મેં તને રાજા બનાવ્યો છે.” આમ, ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે કોઈના ઉપર દયા કરે છે, અને કોઈનું હૃદય કઠણ કરે છે. તમારામાંથી કદાચ કોઈ કહેશે કે, “જો એમ જ હોય, તો ઈશ્વર માણસનો વાંક કેવી રીતે કાઢી શકે? કારણ, ઈશ્વરની ઇચ્છાને કોણ અટકાવી શકે?” મારા મિત્ર, ઈશ્વરની સામે દલીલ કરનાર તું કોણ છે? “તેં મને આવું કેમ બનાવ્યું?” એવું માટીનું પાત્ર પોતાના બનાવનારને પૂછી શકે નહિ. ગારામાંથી પાત્ર ઘડનારને માટીનો ફાવે તેવો ઉપયોગ કરવાનો હક્ક છે. માટીના એક જ લોંદામાંથી એક ખાસ પ્રસંગને માટે અને બીજું સામાન્ય વપરાશને માટે, એમ બે પ્રકારનાં પાત્ર તે બનાવી શકે છે. એ જ પ્રમાણે ઈશ્વરે જે કર્યું છે તે સાચું છે. ઈશ્વર પોતાનો કોપ પ્રગટ કરવા તથા પોતાનું સામર્થ્ય બતાવવા માગતા હતા. જે માણસો ઈશ્વરના કોપને પાત્ર હતા, અને નાશને માટે તૈયાર થઈ ચૂક્યા હતા, તેમના ઉપર કોપ કરવામાં ઈશ્વરે ખૂબ ધીરજ રાખી. વળી, આપણે, જેમને ઈશ્વરે મહિમાવંત કરવા અગાઉથી તૈયાર કર્યાં એવા કૃપાનાં પાત્રો સમક્ષ તે પોતાના મહિમાની સમૃદ્ધિ પ્રગટ કરે. એ માટે તેમણે આપણને ફક્ત યહૂદીઓમાંથી જ નહિ, પણ બિનયહૂદીઓમાંથી પણ બોલાવેલા છે. હોશિયાના પુસ્તકમાં લખેલું છે: “જે પ્રજા મારી નથી, તેને હું મારી પ્રજા કરીશ; જે પ્રજા ઉપર મેં પ્રેમ કર્યો નથી, તેને હું પ્રિય પ્રજા કહીશ.” વળી જે જગ્યાએ તેમને કહેવામાં આવેલું કે, “તમે મારી પ્રજા નથી.” તે જ જગ્યાએ, “તેઓ જીવંત ઈશ્વરના પુત્રો કહેવાશે.” એવું કહેલું છે. યશાયા ઇઝરાયલીઓ વિષે ઘોષણા કરે છે: “જોકે ઇઝરાયલીઓની સંખ્યા સમુદ્રની રેતીના કણ જેટલી હોય, તો પણ તેમનામાંથી થોડા જ ઉદ્ધાર પામશે. કારણ, ઈશ્વર પોતે ફરમાવેલી સજાનો પૂરેપૂરો અમલ પૃથ્વી ઉપર વિના વિલંબે કરશે.” યશાયાએ પહેલાં કહ્યું હતું: “જો સર્વસમર્થ પ્રભુએ આપણી જાતિના થોડાક માણસો પણ રહેવા દીધા ન હોત, તો આપણી હાલત સદોમ અને ગમોરા નગરોના જેવી હોત.” તો આપણે શું કહીશું? એ જ કે જે બિનયહૂદીઓ પોતાને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવા પ્રયાસ કરતા નહોતા, તેમને વિશ્વાસ કરવા દ્વારા તેમની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા છે. એથી ઊલટું, ઇઝરાયલી લોકોએ તેમને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લવાય તે માટે નિયમ પાલનનો પ્રયાસ કર્યો; પણ તેમાં તેમને સિદ્ધિ મળી નહિ. એવું શા માટે થયું? એટલા માટે કે તેમણે વિશ્વાસ કરવાને બદલે કાર્યો ઉપર આધાર રાખ્યો. તેમણે ઠોકર ખવડાવનાર પથ્થર આગળ ઠોકર ખાધી. શાસ્ત્રમાં આ પ્રમાણે લખેલું છે: “જુઓ, હું સિયોનમાં એક પથ્થર મૂકું છું, જેના ઉપર લોકો ઠોકર ખાશે; એક એવો ખડક કે જેનાથી લોકો પડી જશે. પણ જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે, તે કદી નિરાશ થશે નહિ.” ભાઈઓ, મારા અંત:કરણની ઝંખના તથા ઈશ્વર આગળ મારી એવી પ્રાર્થના છે કે ઇઝરાયલ ઉદ્ધાર પામે. હું સાક્ષી આપું છુ કે ઈશ્વર પ્રત્યે તેમનો ઊંડો ભક્તિભાવ તો છે; પણ તેનો આધાર સાચા જ્ઞાન પર નથી. ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવાનો માર્ગ તેઓ જાણતા નથી. પોતાના માર્ગ ઉપર ચાલતાં તેઓ ઈશ્વરના માર્ગને આધીન થતા નથી. જે કોઈ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે છે, તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થાય છે. કારણ, ખ્રિસ્ત નિયમના ઉદ્દેશની પરિપૂર્ણતા છે. નિયમને આધીન થઈને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવા અંગે મોશેએ લખેલું છે: “જે માણસ નિયમની માગણીઓ પૂર્ણ કરશે, તે તેનાથી જીવશે.” પણ વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવા વિષે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે: “તમારા મનમાં એમ ન વિચારો કે સ્વર્ગમાં કોણ જશે (એટલે કે, ખ્રિસ્તને નીચે લાવવા માટે); અથવા ઊંડાણમાં કોણ ઊતરશે (એટલે કે, ખ્રિસ્તને મરેલાંઓમાંથી ઉપર લાવવા માટે)?” એનો અર્થ આ છે: “ઈશ્વરનો સંદેશ તારી નજીક છે. તે તારા હોઠ ઉપર અને હૃદયમાં છે.” અમે એ વિશ્વાસનો જ સંદેશ પ્રગટ કરીએ છીએ. જો તું તારા હોઠથી એવી જાહેર કબૂલાત કરે કે ઈસુ પ્રભુ છે અને તારા દયથી વિશ્વાસ કરે કે ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા છે તો તું ઉદ્ધાર પામીશ. જ્યારે માણસ દયથી વિશ્વાસ કરે છે, ત્યારે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારાય છે; અને મુખથી કબૂલાત કરે છે, ત્યારે તે ઉદ્ધાર પામે છે. શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે નિરાશ થશે નહિ.” આમાં બધાનો સમાવેશ થાય છે. એમાં યહૂદી કે બિનયહૂદી એવો કોઈ ભેદભાવ નથી. એક જ ઈશ્વર સર્વના પ્રભુ છે. જે કોઈ તેમને વિનંતી કરે છે, તેને માટે તેમની પાસે આશિષ છે. શાસ્ત્ર કહે છે કે, “જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તેનો ઉદ્ધાર થશે.” પણ જેમના ઉપર તેમને વિશ્વાસ નથી, તેમને નામે તેઓ કેવી રીતે પોકારશે? જેમના વિષેનો સંદેશ સાંભળ્યો નથી, તેમના ઉપર તેઓ વિશ્વાસ કેવી રીતે રાખશે? સંદેશવાહકને મોકલ્યા વગર લોકો શી રીતે સાંભળશે? શાસ્ત્રમાં લખેલું છે: “શુભ સમાચાર લાવનારાઓનું આગમન કેટલું સુંદર છે!” પણ બધાએ શુભસંદેશ સ્વીકાર્યો નથી. યશાયા કહે છે: “હે પ્રભુ, અમારા સંદેશ ઉપર કોણે વિશ્વાસ કર્યો છે?” સંદેશ, એટલે કે ઈશ્વરનો સંદેશ સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્‍ન થાય છે. પણ મારો પ્રશ્ર્ન આ છે: શું તેમણે સંદેશ સાંભળ્યો ન હોય એવું બને ખરું? ના, ના, તેમણે સાંભળ્યું તો છે; કારણ, “તેમનો અવાજ આખી પૃથ્વીમાં ફેલાયેલો છે, અને તેમનો સંદેશ દુનિયાના છેડા સુધી પ્રસરેલો છે.” શું ઇઝરાયલને સમજ ન પડી હોય એવું બને? સૌ પ્રથમ મોશે એનો જવાબ આપે છે: “પ્રજા ન ગણાય એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્‍ન કરીશ, જેઓ મૂર્ખ છે એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્‍ન કરીશ.” વળી, યશાયા વધુ હિંમત રાખીને કહે છે: “જેઓ મને શોધતા ન હતા, તેમને હું મળ્યો; જેઓ મારી પૂછપરછ કરતા ન હતા, તેમની સમક્ષ હું પ્રગટ થયો.” પણ ઇઝરાયલ વિષે તે કહે છે: “મારી આજ્ઞાનું પાલન નહિ કરનારી અને બળવાખોર પ્રજાને હું આખો દિવસ આમંત્રણ આપતો રહ્યો!” તો હું પૂછું છું કે, શું ઈશ્વરે પોતાના લોકને તજી દીધા છે? બેશક નહિ. હું પોતે ઇઝરાયલી છું, અબ્રાહામનો વંશજ છું, બિન્યામીનના કુળનો છું. આરંભથી પસંદ કરેલા લોકને ઈશ્વરે ત્યજી દીધા નથી. એલિયાએ ઇઝરાયલ પ્રજા વિરુદ્ધ ઈશ્વરને ફરિયાદ કરી એ પ્રસંગમાં શાસ્ત્ર શું કહે છે તે તમે જાણો છો? “હે પ્રભુ, આ લોકોએ તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે, તમારી યજ્ઞવેદીઓ તોડી પાડી છે, અને એકલો હું જ બાકી રહ્યો છું. તેઓ મારો પણ જીવ લેવા પ્રયાસ કરે છે.” ઈશ્વરે તેને શો જવાબ આપ્યો? “જૂઠા દેવ બઆલની આગળ પોતાનાં ધૂંટણ કદી નમાવ્યાં નથી એવા સાત હજાર માણસોને મેં મારે માટે સાચવી રાખ્યા છે.” એ જ રીતે અત્યારના સમયમાં પણ કેટલાક કૃપાથી પસંદ કરેલાઓને સાચવી રાખવામાં આવ્યા છે. ઈશ્વરની પસંદગી કૃપાથી થઈ છે, અને કાર્યોથી નહિ. જો ઈશ્વરે કરેલી પસંદગી માનવી કાર્યો પ્રમાણે થઈ હોય, તો તેમની કૃપા એ કૃપા જ ન કહેવાય. હવે સમજવું શું? એ જ કે ઇઝરાયલ પ્રજા જેની શોધમાં હતી, તે તેને મળ્યું નથી. ઈશ્વરે પસંદ કરેલા એવા થોડાઓને જ તે પ્રાપ્ત થયું છે. ઈશ્વરના આમંત્રણ સંબંધી બાકીના બધા બહેરા બન્યા છે. શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વરે તેમનાં મન જડ બનાવી દીધાં છે. આજ લગી તેમની આંખો દેખતી નથી, ને કાનો સાંભળતા નથી.” અને દાવિદ કહે છે: “તેમની મિજબાનીઓ તેમને માટે જાળ તથા ફાંદારૂપ બનો. તેમને માટે તે ઠોકરનું કારણ અને સજારૂપ બનો. તેમની આંખો ઉપર અંધકાર પથરાઈ જાઓ; જેથી તેમને દેખાય નહિ અને તેમની પીઠ તમે સદા નમેલી રાખો.” મારો પ્રશ્ર્ન છે: શું યહૂદીઓએ એવી ઠોકર ખાધી છે કે તેઓ ફરી ઊભા થાય જ નહિ? ના, એવું તો નથી. પણ તેમના પતનથી બિનયહૂદીઓનો ઉદ્ધાર શકાય બન્યો છે, કે જેથી યહૂદીઓમાં ઈર્ષા ઉત્પન્‍ન થાય. તેમના પતનથી દુનિયાને આશિષ મળી છે. તેમની આત્મિક ગરીબાઈ બિનયહૂદીઓ માટે પુષ્કળ આશિષ લાવી છે. તો જ્યારે બાકીના બધા યહૂદીઓની સંપૂર્ણ સંખ્યાનો પ્રભુમાં સમાવેશ થશે, ત્યારે કેટલી વિશેષ આશિષ મળશે? હવે હું તમ બિનયહૂદીઓની સાથે વાત કરું છું. હું બિનયહૂદીઓમાં પ્રચાર અર્થે મોકલાયેલો છું; તેથી હું મારા સેવાકાર્યમાં ગર્વ લઉં છું. કદાચ, મારી જાતિના લોકોમાં ઈર્ષા ઉત્પન્‍ન કરીને હું તેમનામાંના કેટલાકને બચાવી શકું. જ્યારે તેમને ધિક્કારવામાં આવ્યા, ત્યારે દુનિયા ઈશ્વરની મિત્ર થઈ; તો પછી જ્યારે તેમને સ્વીકારવામાં આવશે, ત્યારે શું થશે? અરે, મુડદાં પણ જીવતાં થશે! અર્પવાની રોટલીનો પ્રથમ ટુકડો ઈશ્વરને અપાયેલો હોય, તો આખી રોટલીનો પૂરો કણક પવિત્ર છે. તેમ જ જો વૃક્ષનાં મૂળ અર્પિત થયેલાં હોય તો ડાળીઓ પણ પવિત્ર છે. ઉછેરવામાં આવેલ ઓલિવ વૃક્ષની કેટલીક ડાળીઓ તોડી નાખવામાં આવી છે, અને જંગલી ઓલિવ વૃક્ષની ડાળીની તેમાં કલમ કરવામાં આવી છે. તમે બિનયહૂદીઓ પેલા જંગલી ઓલિવ વૃક્ષની ડાળી જેવા છો. હવે યહૂદીઓનું મૂળ, જે શક્તિ અને રસે ભરેલું છે તેના જીવનના તમે ભાગીદાર થયા છો. તેથી જેમને ડાળીઓની માફક તોડી નાખવામાં આવ્યા છે, તેમનો તિરસ્કાર તારાથી કરાય જ નહિ. તું ગર્વ શી રીતે કરી શકે? તું તો માત્ર ડાળી છે. મૂળ તારા પર આધાર રાખતું નથી, પણ તું મૂળ પર આધાર રાખે છે. પણ તને આવો વિચાર આવે: “મારી કલમ કરવા માટે ડાળીઓ કાપી નાખવામાં આવી હતી.” એ ખરું છે. અવિશ્વાસને લીધે તેમને તોડી નાખવામાં આવ્યા અને વિશ્વાસને લીધે તું એ સ્થાને ટકી રહ્યો છે; છતાં અભિમાન ન કર, પણ ભય રાખ. અસલ ડાળીઓ જેવા યહૂદીઓને ઈશ્વરે ન બચાવ્યા, તો શું તું એમ ધારે છે કે ઈશ્વર તને જતો કરશે? અહીં આપણે જોઈએ છીએ કે ઈશ્વર દયાળુ તો છે, પણ સાથેસાથે કડક પણ છે. જેઓ પડી ગયા તેઓ ઉપર ઈશ્વરનો કોપ આવ્યો. જો તું ઈશ્વરની દયાને વળગી રહેશે, તો ઈશ્વર તારા પર દયા જારી રાખશે, નહિ તો તને પણ કાપી નાખવામાં આવશે. જો યહૂદીઓ તેમના અવિશ્વાસને દૂર કરે તો તેમને અસલ સ્થાને પાછા લાવવામાં આવશે. કારણ, ઈશ્વર તેમને ફરીથી કલમરૂપે જોડવા સમર્થ છે. તમ બિનયહૂદીઓ જંગલી ઓલિવ વૃક્ષની ડાળીઓ જેવા છો, અને ઉછેરવામાં આવેલ ઓલિવ વૃક્ષ સાથે તમને કુદરતની વિરુદ્ધ જોડવામાં આવ્યા છે. યહૂદીઓ આ ઉછેરેલા વૃક્ષની ડાળીઓ જેવા છે. ઈશ્વરને માટે એ અસલ ડાળીઓને તેમના મૂળ ઓલિવ વૃક્ષમાં કલમ કરવાનું ક્મ કેટલું સરળ છે! મારા ભાઈઓ, હું તમને એક માર્મિક સત્ય જણાવવા માગું છું, જેથી તમે પોતાને બુદ્ધિમાન સમજી બેસો નહિ. તે આ પ્રમાણે છે: ઇઝરાયલીઓની હઠીલાઈ કાયમી નથી. પરંતુ બિનયહૂદીઓ પૂરેપૂરી સંખ્યામાં ઈશ્વર પાસે આવશે ત્યાં સુધી જ તે રહેશે. અને એ રીતે સર્વ ઇઝરાયલીઓનો ઉદ્ધાર થશે. શાસ્ત્રમાં લખેલું છે: “સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે, તે યાકોબનાં સંતાનોમાંથી પાપને દૂર કરશે. જ્યારે હું તેમનાં પાપનું નિવારણ કરીશ, ત્યારે તેમની સાથે મારો આ કરાર હશે.” શુભસંદેશને લાગેવળગે છે ત્યાં સુધી યહૂદીઓ તમારે લીધે ઈશ્વરના દુશ્મનો છે; પરંતુ પસંદ કરાયેલા લોકો તરીકે આદિ પૂર્વજોને લીધે તેઓ ઈશ્વરના મિત્ર છે. ઈશ્વર જેમને પસંદ કરીને આશિષ આપે છે, તેમના સંબંધી તે પોતાનું મન ફેરવતા નથી. ભૂતકાળમાં તમ બિનયહૂદીઓ ઈશ્વરને નિરાધીન હતા; પણ અત્યારે યહૂદીઓની નિરાધીનતાને કારણે તમે દયા પામ્યા છો. એ જ પ્રમાણે તમને દયા મળી છે, તેથી યહૂદીઓ નિરાધીન થયા છે; જેથી તેમને પણ દયા પ્રાપ્ત થાય. આમ, સમગ્ર માનવજાતને ઈશ્વરે નિરાધીનતાના બંધનમાં મૂક્યા છે; જેથી સમગ્ર માનવજાત પ્રત્યે તે દયા બતાવે. અરે, ઈશ્વરનાં જ્ઞાન અને પ્રજ્ઞાની સંપત્તિ કેવી અગાધ છે! તેમના નિર્ણયોને કોણ સમજાવી શકે? તેમના માર્ગોને કોણ સમજી શકે? શાસ્ત્રમાં લખેલું છે: “પ્રભુનું મન કોણ જાણે છે? કોણ તેમને સલાહ આપવાને સમર્થ છે? કોણે તેમને પહેલાં કંઈક આપ્યું છે કે તેમણે તેને પાછું આપવું પડે?” જેમનાથી સર્વ ઉત્પન્‍ન થયું, જેમની મારફતે સર્વ અસ્તિત્વ ધરાવે છે અને જેમને માટે સર્વ છે એવા ઈશ્વરનો સર્વકાળ મહિમા થાઓ! આમીન. મારા ભાઈઓ, ઈશ્વરે આપણા ઉપર ઘણી દયા કરી છે; તેથી તેને ધ્યાનમાં રાખીને મારી તમને આ વિનંતી છે: તમે તમારી જાતનું જીવંત, ઈશ્વરની સેવાને માટે સમર્પિત અને તેમને પસંદ પડે એવું અર્પણ કરો. એ જ તમારી સાચી સેવાભક્તિ છે. આ દુનિયાના ધોરણને અનુસરો નહિ, પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું પરિવર્તન કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. ત્યાર પછી જ તમને ઈશ્વરની ઇચ્છાની ખબર પડશે કે શું સારું છે, ઈશ્વરને શું ગમે છે અને સંપૂર્ણ તથા યોગ્ય શું છે. મને મળેલા ઈશ્વરના કૃપાદાનને લીધે હું તમ સૌને કહું છું કે પોતાને સમજવા જોઈએ તે કરતાં બહુ મોટા સમજી ન બેસો. એને બદલે, સૌ પોતાને ઈશ્વરે આપેલા વિશ્વાસના પ્રમાણમાં નમ્રતાથી સમજે. આપણા એક શરીરમાં અનેક અવયવો છે. આ બધા અવયવોનું કાર્ય જુદું જુદું છે. તેવી જ રીતે આપણે જોકે અનેક છીએ, તોપણ ખ્રિસ્તની સાથે જોડાઈને આપણે એક શરીર બન્યા છીએ, અને એક શરીરના જુદા જુદા અવયવો તરીકે આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ. ઈશ્વરે જે રીતે આપણને જુદાં જુદાં કૃપાદાનો આપ્યાં છે, તે રીતે આપણે તેમનો ઉપયોગ કરવો જોઈએ. જો ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાનું દાન હોય, તો તેને આપણા વિશ્વાસના પ્રમાણમાં પ્રગટ કરવો જોઈએ. સેવા કરવાનું દાન હોય, તો સેવા કરવી. શિક્ષણ આપવાનું દાન હોય, તો શીખવવું. બીજાને ઉત્તેજન આપવાનું દાન હોય, તો તેમ કરવું જોઈએ. બીજાની સાથે પોતાનો હિસ્સો વહેંચવાનો હોય, તો ઉદારતાથી આપવું. જેની પાસે અધિકાર છે, તેણે ખંતથી ક્મ કરવું. જે બીજાઓ ઉપર ભલાઈ કરે છે, તેણે હસતે મુખે કરવી. તમારો પ્રેમ સંપૂર્ણ રીતે દંભરહિત હોય. ભૂંડાનો ધિક્કાર કરો; જે સારું છે તેને પકડી રાખો. ખ્રિસ્તમાં ભાઈઓ તરીકે ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર કરો. સન્માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો. ખંતથી મહેનત કરો, અને આળસુ ન બનો; આત્મામાં ધગશ રાખો, અને પ્રભુની સેવામાં મંડયા રહો. આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, સર્વ સમયે પ્રાર્થના કરો. જેઓ તંગીમાં છે તેવા ભાઈઓને મદદ કરો. મહેમાનોનો આવકાર કરવા તમારાં ઘર ખુલ્લાં રાખો. જેઓ તમને સતાવે તેમને ઈશ્વર આશિષ આપે તેવી વિનંતી કરો; અને શાપ આપતા નહિ. આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો. બધાની એક્સરખી કાળજી રાખો. અભિમાન ન કરો, પરંતુ સાધારણ દરજ્જાના લોકો સાથે ય સામેલ થાઓ. તમે જ બુદ્ધિમાન છો એમ ન સમજો. કોઈ તમારું ભૂડું કરે, તો સામું ભૂંડું ન કરો. બધાને ગમતું કરવાનો યત્ન કરો. બધાની સાથે શાંતિમાં રહેવાને તમારાથી બનતું બધું કરો. મારા મિત્રો, વેર વાળશો નહિ; એને બદલે, તે ક્મ ઈશ્વરના કોપને કરવા દો. શાસ્ત્રમાં લખેલું છે: “વેર વાળવું એ મારું ક્મ છે અને હું બદલો લઈશ, એમ પ્રભુ કહે છે.” એને બદલે, શાસ્ત્ર કહે છે તેમ, “જો તારો દુશ્મન ભૂખ્યો હોય, તો તેને ખાવાનું આપ. જો તેને તરસ લાગી હોય, તો પાણી આપ. એમ કરવાથી તું તેને શરમમાં મૂકી દઈશ.” ભૂંડાઈથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાઈ ઉપર વિજયી થા. દરેકે રાજ્યના અધિકારીઓને આધીન રહેવું. કારણ, ઈશ્વરની પરવાનગી વગર અપાયો હોય એવો કોઈ અધિકાર નથી. અધિકારીઓ ઈશ્વર તરફથી નિમાયેલા હોય છે. જે કોઈ અધિકારનો વિરોધ કરે છે, તે ઈશ્વરે ઠરાવેલી વ્યવસ્થાનો વિરોધ કરે છે. જે કોઈ એવું કૃત્ય કરે છે, તે પોતા પર શિક્ષા લાવશે. સારું ક્મ કરનારાઓને અધિકારીઓની બીક લાગતી નથી; પણ ભૂંડુ કરનારાઓને જ લાગે છે. શું તમારે અધિકારીઓથી ભયમુક્ત થવું છે? તો જે સારું છે તે કરો; એટલે, તે તમારાં વખાણ કરશે. તે તો તમારા ભલા માટે ઈશ્વર તરફથી નિમાયેલો સેવક છે. જો તમે ભૂંડું કરો, તો જ તમને તેની બીક લાગે. કારણ, તેની પાસે સજા કરવાની ખરેખરી સત્તા છે. તે તો ભૂંડાં ક્મ કરનારને સજા કરવા ઈશ્વરથી નિમાયેલો સેવક છે. તમારે માત્ર સજાની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિને ખાતર પણ અધિકારીઓને આધીન રહેવું. અધિકારીઓ ફરજ બજાવવામાં ઈશ્વરને માટે ક્મ કરે છે. આથી તમારે કરવેરા ભરવા જોઈએ. દરેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો હક હોય તેને કર, જેને જક્તનો હક હોય તેને જક્ત, જેને ડરનો હક હોય તેને ડર, જેને માનનો હક હોય તેને માન આપો. એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું કોઈ દેવું ન કરો, કેમકે જે કોઈ બીજા ઉપર પ્રેમ રાખે છે, તેણે નિયમનું પૂરું પાલન કર્યું છે. કારણ, “વ્યભિચાર કરવો નહિ, ખૂન કરવું નહિ, ચોરી કરવી નહિ, લોભ રાખવો નહિ,” આ બધી આજ્ઞાઓનો સાર આ એક જ વાકાયમાં મળી જાય છે. “જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.” બીજાઓ પર પ્રેમ રાખનાર તેમનું કદી ખરાબ કરતો નથી. પ્રેમ કરવામાં આખા નિયમશાસ્ત્રનું પાલન થાય છે. તમારે તેમ કરવાની જરૂર છે; કારણ, આ કેવો સમય છે તે તમે જાણો છો. હાલ તમારે ઊંઘમાંથી જાગવાનો સમય આવી પહોંચ્યો છે. આપણે વિશ્વાસ કર્યો, ત્યારના કરતાં હાલ આપણો ઉદ્ધાર વધુ નજીક છે. રાત્રિ લગભગ પસાર થઈ ગઈ છે; દિવસ નજીક આવી પહોંચ્યો છે. હવે અંધકારનાં દુષ્ટ કામો કરવાનું બંધ કરી દઈએ. પ્રકાશનાં શસ્ત્રો સજી લઈએ. દિવસના પ્રકાશમાં જીવનાર લોકોની માફક આપણું વર્તન યથાયોગ્ય રાખીએ. એટલે કે, આપણે ભોગવિલાસમાં, નશાબાજીમાં, વ્યભિચારમાં, અશ્ર્લીલ વર્તનમાં, ઝગડામાં કે ઈર્ષામાં જીવીએ નહિ; પણ તમારા બખ્તર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને તમારા દેહની વાસનાઓ સંતોષવા તરફ ધ્યાન ન આપો. તમારામાં જે વિશ્વાસમાં નબળો હોય, તેનો સ્વીકાર કરો. તેના અંગત અભિપ્રાયો અંગે તેની સાથે વાદવિવાદ ન કરો. કોઈનો વિશ્વાસ તેને બધું ખાવાનું કહે છે, પણ વિશ્વાસમાં જે નબળો છે, તે માત્ર શાકભાજી ખાય છે. જે બધું ખાય છે, તેણે બધું ન ખાનારનો તુચ્છકાર ન કરવો; કારણ, ઈશ્વરે તેનો સ્વીકાર કરેલો છે. કોઈના નોકરનો ન્યાય કરવાનો તને શો અધિકાર છે? તેને ચાલુ રાખવો કે તેને કાઢી મૂકવો એ બાબત તેના શેઠે જોવાની છે. પ્રભુ તેમ કરવાને શક્તિમાન છે, માટે તે ટકી રહેશે. કોઈને મન અમુક દિવસ બીજા દિવસો કરતાં વધુ અગત્યનો છે. વળી, બીજા કેટલાકને મન બધા જ દિવસો સરખા છે. દરેકે પોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરી લેવી. જે અમુક દિવસને જ અગત્યનો ગણે છે, તે પ્રભુના મહિમાને અર્થે ગણે છે. જે બધું ખાય છે, તે પ્રભુના મહિમાને અર્થે ખાય છે. કારણ, ખોરાકને માટે તે ઈશ્વરનો આભાર માને છે. જે અમુક ખોરાક ખાવાની ના પાડે છે, તે પ્રભુના મહિમાને અર્થે એમ કરે છે, અને તે ઈશ્વરનો આભાર માને છે. આપણામાંનો કોઈ પોતાને માટે જીવતો નથી કે પોતાને માટે મરતો નથી. આપણે જીવીએ છીએ, તો પ્રભુને માટે જીવીએ છીએ; અને મરીએ છીએ, તો પ્રભુને માટે મરીએ છીએ. માટે, આપણે જીવીએ કે મરીએ પણ આપણે પ્રભુનાં જ છીએ. મરેલાં તથા જીવતાંઓના પ્રભુ થવા માટે ખ્રિસ્ત મરણ પામ્યા, અને ફરીથી સજીવન થયા. તો તારા ભાઈનો ન્યાય તું શું કરવા કરે છે? અથવા, તું તારા ભાઈનો તિરસ્કાર કેમ કરે છે? આપણે સૌએ ઈશ્વરના ન્યાયાસન આગળ ઊભા રહેવાનું છે. શાસ્ત્રમાં લખેલું છે: “પ્રભુ કહે છે, મારા જીવના સમ, એકેએક ધૂંટણ મારી આગળ નમશે, અને એકેએક જીભ કબૂલ કરશે કે હું ઈશ્વર છું.” આમ, આપણે સૌએ ઈશ્વરની આગળ પોતાનો હિસાબ આપવાનો છે. આપણે એકબીજાનો ન્યાય કરવાનો બંધ કરીએ. એને બદલે, એવો નિર્ણય કરીએ કે આપણે આપણા ભાઈને ઠોકરરૂપ થઈએ નહિ, અને તે પાપમાં પડે એવું કંઈ કાર્ય કરીએ નહિ. હું જાણું છું અને પ્રભુ ઈસુ તરફથી મને પૂરી ખાતરી થઈ છે કે કોઈપણ ખાદ્ય પદાર્થ જાતે અશુદ્ધ નથી. જો કોઈ માણસ એમ માને કે અમુક ખાદ્યપદાર્થ અશુદ્ધ છે, તો તે ખાદ્યપદાર્થ તેને માટે અશુદ્ધ બની જાય છે. જો તમે કોઈ ખોરાક ખાવાને લીધે તમારા ભાઈની લાગણી દુભાવો છો, તો તમે પ્રેમથી વર્તતા નથી. જેને માટે ખ્રિસ્ત મરણ પામ્યા, તેનો તમે તમારા ખોરાકને લીધે નાશ ન કરો. તમે જેને સારું ગણો છો, તેનું ભૂંડું બોલાય એવું થવા ન દો. ઈશ્વરનું રાજ્ય ખાવાપીવામાં નથી, પણ પવિત્ર આત્માથી મળતાં સદાચાર, શાંતિ અને આનંદમાં છે. આ રીતે ખ્રિસ્તની સેવા કરનાર ઈશ્વરને પસંદ પડે છે, અને માણસોને માન્ય થાય છે. આપણે હંમેશા શાંતિકારક અને એકબીજાની ઉન્‍નતિ કરનારી બાબતો કરવાનું યેય રાખવું જોઈએ. ખોરાકની બાબતોમાં ઈશ્વરના કાર્યનો નાશ કરો નહિ. દરેક ખોરાક ખાવાલાયક છે. પણ આપણે જે ખાઈએ છીએ તેથી કોઈ માણસ પાપમાં પડતો હોય, તો તે બાબત ખરાબ છે. ખરી બાબત તો એ છે કે માંસ ખાવાથી, દારૂ પીવાથી અથવા બીજું કંઈપણ કરવાથી આપણા ભાઈનું પતન થતું હોય તો તેમ ન કરીએ. આ બાબત વિષે તું શું માને છે, તે તારી અને ઈશ્વરની વચ્ચે જ રાખ. પોતાને યોગ્ય લાગતું કાર્ય કરનાર વ્યક્તિ પોતાને દોષિત ન ઠરાવે તો તેને ધન્ય છે. તે જે ખાય છે તે સંબંધી તેના મનમાં શંકા હોય, તો ઈશ્વર તેને દોષિત ઠરાવે છે; કારણ, તેનું કાર્ય વિશ્વાસ ઉપર આધારિત નથી. જેનો આધાર વિશ્વાસ ઉપર નથી તે પાપ છે. આપણે જેઓ વિશ્વાસમાં દૃઢ છીએ, તેમણે નિર્બળોને તેમના બોજ ઊંચકવામાં મદદ કરવી જોઈએ. આપણે માત્ર આપણને પોતાને જ સંતુષ્ટ રાખવા તરફ લક્ષ રાખવું ન જોઈએ. એને બદલે, આપણે સૌએ આપણા ભાઈની ઉન્‍નતિ કરવા માટે તે સંતુષ્ઠ રહે એ વાત લક્ષમાં રાખવાનો યત્ન કરવો જોઈએ. ખ્રિસ્તે પણ પોતાની જ સંતુષ્ટતા લક્ષમાં રાખી નહોતી. શાસ્ત્રમાં લખેલું છે, “તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી.” શાસ્ત્રમાં જે કંઈ લખવામાં આવ્યું છે, તે તો આપણને શિક્ષણ આપવા માટે છે; જેથી શાસ્ત્રમાંથી મળતાં ધીરજ અને પ્રોત્સાહનથી આપણામાં આશા ઉત્પન્‍ન થાય. તમે ખ્રિસ્તના નમૂનાને અનુસરો અને એમ તમારામાં એક્સરખી વિચારસરણી રાખી શકો તે માટે ધીરજ તથા પ્રોત્સાહનના દાતા ઈશ્વર તમને સહાય કરો; એ માટે કે તમે બધા સાથે મળીને એકી અવાજે ઈશ્વર એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાની સ્તુતિ કરો. જેમ ખ્રિસ્તે તમારો સ્વીકાર કર્યો, તેમ તમે ઈશ્વરના મહિમાને અર્થે એકબીજાનો સ્વીકાર કરો. ખ્રિસ્ત યહૂદીઓના સેવક બન્યા; જેથી આદિપૂર્વજોને આપેલાં ઈશ્વરનાં વચનો સાચાં ઠરે અને એમ ઈશ્વર વિશ્વાસુ છે એ વાત પુરવાર થાય. વળી, બિનયહૂદીઓ પણ ઈશ્વરની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખેલું છે: “માટે હું બિનયહૂદીઓમાં તમારી સ્તુતિ કરીશ, અને તમારા નામનાં સ્તોત્રો ગાઈશ.” વળી, તે કહે છે: “ઓ બિનયહૂદીઓ, ઈશ્વરના પસંદ કરાયેલા લોકની સાથે આનંદ કરો.” વળી, “ઓ સર્વ બિનયહૂદીઓ, પ્રભુની સ્તુતિ કરો, અને બધા લોકો તેમની મોટેથી સ્તુતિ કરો.” યશાયાએ લખેલું છે: “યિશાઈનો વંશજ આવશે, તેને બિનયહૂદીઓ ઉપર રાજ કરવાને ઊભો કરવામાં આવશે, અને તેના પર બિનયહૂદીઓ આશા રાખશે.” હવે ઈશ્વર, જે આશાનું મૂળ છે, તે તેમના પરના તમારા વિશ્વાસની મારફતે તમને આનંદ તથા શાંતિથી ભરી દો; જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા સતત વૃદ્ધિ પામતી જાય. મારા ભાઈઓ, તમારે વિષે મને પૂરી ખાતરી છે કે તમે ભલાઈથી ભરેલા છો. તમે સર્વ જ્ઞાનથી સંપન્‍ન છો. તમે એકબીજાને શીખવી શકો તેવા છો. પરંતુ આ પત્રમાં કેટલાક વિષયો અંગે મેં બહુ સ્પષ્ટ વાત કરી છે. હવે હું તમને એ યાદ દેવડાવવા માગું છું કે ઈશ્વરે મને આપેલા હક્કને આધારે હું સ્પષ્ટ રીતે લખું છું. ઈસુ ખ્રિસ્તના સેવક તરીકે મને બિનયહૂદીઓ મયે ક્મ કરવાનો હક્ક મળેલો છે. ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કરીને હું યજ્ઞકારનું ક્મ કરું છું, જેથી પવિત્ર આત્માની મારફતે ખ્રિસ્તી થયેલા બિનયહૂદીઓ ઈશ્વરને માન્ય અર્પણ થાય, અને એમ ઈસુ ખ્રિસ્તમાં મેળવાયો હોવાથી હું ઈશ્વરની જે સેવા કરું છું તેનો ગર્વ લઈ શકું. હું તો તમને ખ્રિસ્તે મારા દ્વારા કરેલું કાર્ય હિંમતથી જણાવીશ. તે આવું છે: વાણીથી અને કાર્યોથી, ચિહ્નોથી, ચમત્કારોથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી બિનયહૂદીઓ ઈશ્વરને આધીન થયા છે. યરુશાલેમથી ઈલુરીકમ સુધી ખ્રિસ્તનો સંદેશો મેં પૂરેપૂરો પ્રગટ કર્યો છે. જ્યાં ખ્રિસ્તનું નામ કદી યે સાંભળવામાં આવ્યું ન હોય, તેવી જગ્યાઓમાં શુભસંદેશ પ્રગટ કરવાની મારી મહત્ત્વાક્ંક્ષા છે. કારણ, મારે બીજાના પાયા ઉપર બાંધક્મ કરવું નથી. શાસ્ત્રમાં લખેલું છે: “જેમને તેમના સંબંધીના સમાચાર આપવામાં આવ્યા નહોતા, તેઓ જોશે; અને જેમણે સાંભળ્યું નહોતું, તેઓ સમજશે.” એ કારણને લીધે તમારી મુલાકાત લેવાનું અટવાઈ પડયું છે. હવે આ પ્રદેશોમાં મેં મારું કાર્ય પૂરું કર્યું છે. ઘણા વર્ષોથી હું તમારી મુલાકાત લેવાની ઇચ્છા રાખી રહ્યો છું. સ્પેન જતી વખતે હું તમને મળવાની આશા રાખું છું. તમારી મુલાકાતથી મળતો આનંદ તથા તમારી મદદ મેળવીને હું સ્પેન જવા વિદાય થઈશ. હાલ તો હું ઈશ્વરના લોકો માટે રાહતફાળો લઈને યરુશાલેમ જાઉં છું. કારણ, મકદોનિયા અને આખાયાના પ્રદેશોની મંડળીઓએ યરુશાલેમમાંના ઈશ્વરના લોકમાંના ગરીબોને મદદ કરવાનો ઠરાવ કર્યો છે. તેમણે જાતે જ આ પગલું ભર્યું છે. ખરું જોતાં, તેઓ તેમના દેવાદાર છે. કારણ, યહૂદીઓએ તેમની આત્મિક આશિષોમાં બિનયહૂદીઓને ભાગીદાર બનાવ્યા છે. તેથી બિનયહૂદીઓએ પણ તેમને ભૌતિક બાબતોમાં મદદ કરવી જોઈએ. તેમને માટે ઉઘરાવેલા ફાળાની સોંપણીનું ક્મ પૂરું કરી હું સ્પેન જવા વિદાય થઈશ, અને ત્યાં જતાં રસ્તામાં તમારી પણ મુલાકાત લઈશ. તમારે ત્યાં હું આવીશ, ત્યારે ખ્રિસ્તના શુભસંદેશની આશિષોની ભરપૂરી લાવીશ એવી મને ખાતરી છે. ભાઈઓ, આપણા પ્રભુ ઈસુને લીધે અને પવિત્ર આત્માના પ્રેમને લીધે મારી તમને આ વિનંતી છે: યહૂદિયાના અવિશ્વાસીઓના હુમલાથી હું બચી જાઉં, યરુશાલેમમાંની મારી સેવા ઈશ્વરના લોકોને પસંદ પડે, તથા ઈશ્વરની ઇચ્છા હોય, તો હું તમારે ત્યાં આનંદથી આવી શકું અને તમારી મુલાકાતથી તાજગી મેળવું એ માટે ઈશ્વરને આગ્રહથી પ્રાર્થના કરીને મને સહાય કરો. શાંતિદાતા ઈશ્વર તમ સર્વની સાથે રહો. આમીન. કેંખ્રિયાની મંડળીની સેવિકા તથા આપણી બહેન ફેબીને માટે હું ભલામણ કરું છું. ઈશ્વરના લોકોને શોભે તે રીતે પ્રભુના નામમાં તેનું સન્માન કરજો. તેણે ઘણા લોકોને તથા મને મદદ કરી છે. તેથી તે પણ જ્યારે તમારી પાસે મદદની માગણી કરે, ત્યારે તેને સહાય કરજો. ખ્રિસ્ત ઈસુની સેવામાં મારાં સહકાર્યકરો પ્રિસ્કા તથા આકુલાને મારી શુભેચ્છા. મારો જીવ બચાવવા તેમણે પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા. ફક્ત હું જ નહિ પણ બિનયહૂદીઓની મંડળીઓ પણ તેમની આભારી છે. તેમના ઘરમાં સંગત માટે એકઠી મળતી મંડળીને પણ મારી શુભેચ્છા. આસિયા પ્રદેશમાંથી ખ્રિસ્ત ઉપર સૌ પ્રથમ વિશ્વાસ કરનાર મારા પ્રિય મિત્ર અપૈનિતસને શુભેચ્છા. તમારે માટે પુષ્કળ મહેનત કરનાર મિર્યામને શુભેચ્છા. મારા યહૂદી ભાઈઓ આંદ્રનિક્સ અને જુનિયાસ જેઓ મારી સાથે જેલમાં હતા તેમને શુભેચ્છા. પ્રેષિતો તેમને સારી રીતે ઓળખે છે, અને તેઓ મારી પહેલાં ખ્રિસ્તી થયા હતા. પ્રભુની સંગતમાં મારા પ્રિય મિત્ર આંપ્લિયાતસને શુભેચ્છા. ખ્રિસ્તની સેવામાં આપણા સહકાર્યકર ઉર્બાનસ અને મારા પ્રિય મિત્ર સ્તાખુસને શુભેચ્છા. આપોલસ જે ખ્રિસ્તને વિશ્વાસુ માલૂમ પડયો છે તેને શુભેચ્છા. આરિસ્તોબુલસનાં કુટુંબીજનોને શુભેચ્છા. મારા યહૂદી ભાઈ હેરોદિયોનને શુભેચ્છા. નાર્કીસસના કુટુંબના ખ્રિસ્તી ભાઈઓને શુભેચ્છા. ત્રુફૈના તથા ત્રુફોસાને મારી શુભેચ્છા. મારી પ્રિય સાથીદાર પેર્સીસને શુભેચ્છા. તેણે પ્રભુને માટે ભારે જહેમત ઉઠાવી છે. પ્રભુની સેવામાં પ્રખર કાર્યકર રૂફસને શુભેચ્છા. પોતાના પુત્રની જેમ મારી મદદ કરનાર તેની માતાને પણ શુભેચ્છા. અસુંક્રિતસ, ફ્લેગોન, હેર્મેસ, પાત્રબાસ તથા હેર્માસ, અને તેમની સાથે જે બીજા ખ્રિસ્તી ભાઈઓ છે તેમને શુભેચ્છા. ફિલોલોગસ તથા જુલિયા, નેરિયસ તથા તેની બહેન અને ઓલિમ્પાસ તથા તેમની સાથે ઈશ્વરના જે લોક છે, તે બધાને શુભેચ્છા. સંગતના પ્રતીક્સમા પવિત્ર ચુંબન દ્વારા એકબીજાને શુભેચ્છા પાઠવજો. ખ્રિસ્તની સર્વ મંડળીઓ તમને શુભેચ્છા પાઠવે છે. મારા ભાઈઓ, મારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમે જે શિક્ષણ મેળવ્યું છે, તેની વિરુદ્ધ જેઓ ફાટફૂટ પાડે છે અને લોકોના વિશ્વાસમાં શંકા પેદા કરે છે, તેમનાથી દૂર રહો. જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ખ્રિસ્ત આપણા પ્રભુની સેવા કરતા નથી. પણ પોતાના પેટની પૂજા કરે છે તથા મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા લોકોનાં મન ભમાવે છે. શુભસંદેશ પ્રત્યેનું તમારું આજ્ઞાપાલન બધા લોકોમાં જાહેર થયું છે, તેથી તમારે વિષે મને આનંદ થાય છે. મારી ઇચ્છા છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની અને ભૂંડી બાબતો વિષે ભોળા રહો. ઈશ્વર, જે શાંતિનું મૂળ છે, તે ટૂંક સમયમાં શેતાનને તમારા પગ તળે છૂંદી નાખશે. મારો સહકાર્યકર તિમોથી તમને શુભેચ્છા પાઠવે છે. વળી, મારા યહૂદી ભાઈઓ લુકિયસ, યાસોન અને સોસિપાત્રસ પણ શુભેચ્છા પાઠવે છે. આ પત્રને લખી આપનાર હું તેર્તિયસ તમને પ્રભુમાં શુભેચ્છા પાઠવું છું. અમારા યજમાન ગાયસ કે જેમના ઘરમાં સંગતને માટે મંડળી એકઠી થાય છે, તેઓ તમને શુભેચ્છા પાઠવે છે. શહેરના ખજાનચી એરાસ્તસ અને આપણો ભાઈ કવાર્તુસ તમને શુભેચ્છા પાઠવે છે. (આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા સર્વ પર હો. આમીન.) આપણે ઈશ્વરને મહિમા આપીએ; કારણ, તે તમને વિશ્વાસમાં દૃઢ રાખવાને સમર્થ છે. મેં તમને ઈસુ ખ્રિસ્ત સંબંધીનો શુભસંદેશ પ્રગટ કર્યો છે. વળી, અનાદિકાળથી ગુપ્ત રાખવામાં આવેલો ઈશ્વરનો માર્ગ મેં તમને જણાવ્યો છે. એ માટે ઈશ્વરની સ્તુતિ થાઓ. સંદેશવાહકોનાં લખાણો દ્વારા તે માર્મિક સત્ય અત્યારે ખુલ્લું થયું છે. બધી પ્રજાઓ શુભસંદેશ ઉપર વિશ્વાસ કરી તેને આધીન થાય, તે માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી તે તમને જણાવવામાં આવ્યું છે. ઈશ્વર, જે એકલા જ સર્વજ્ઞ છે, તેમનો ઈસુ ખ્રિસ્તની મારફતે સર્વકાળ મહિમા હો! આમીન! ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત થવાને આમંત્રણ પામેલો હું પાઉલ તથા આપણા ભાઈ સોસ્થેનસ તરફથી કોરીંથમાંની ઈશ્વરની મંડળીને શુભેચ્છા. તમે ઈશ્વરના લોક થવાને અલગ કરાયા છો. વળી, તમે તેમ જ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરનાર સમસ્ત દુનિયાના લોકો તેમના તથા આપણા પ્રભુ એટલે ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી ઈશ્વરના બનેલા છે. આપણા ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ બક્ષો. મારા ઈશ્વરે તમને ખ્રિસ્ત ઈસુ દ્વારા કૃપા બક્ષી હોવાથી તમારે માટે હું હંમેશાં તેમનો આભાર માનું છું. કારણ, ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે જ્ઞાન અને વાણીની સર્વ પ્રકારની સમજમાં સમૃદ્ધ થયા છો. અમે ખ્રિસ્ત વિશે આપેલી સાક્ષીનો સંદેશ સાચો છે એની તમને પ્રતીતિ થવાથી એ બન્યું છે. આમ, તમારામાં એક પણ આત્મિક બક્ષિસની ઊણપ નથી અને હવે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની ઝંખના સેવી રહ્યા છો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનને દિવસે તમે નિર્દોષ માલૂમ પડો તે માટે ઈશ્વર તમને આખર સુધી નિભાવી રાખશે. પોતાના પુત્ર, ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુના સહભાગી થવાને તમને આમંત્રણ આપનાર ઈશ્વર ભરોસાપાત્ર છે. ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે હું તમને વિનંતી કરું છું કે તમે સૌ એકબીજા સાથે સંમત થાઓ; અને તમારામાં પક્ષાપક્ષી થવા ન દો. તમે એક વિચારના થઈને અને એક ઉદ્દેશ રાખીને પૂરેપૂરું ઐક્ય પ્રાપ્ત કરો. કારણ, ભાઈઓ, કલોએના કુટુંબના કેટલાક સભ્યોએ મને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમારામાં ઝઘડા થાય છે. મારા કહેવાનો અર્થ એ છે કે, તમે દરેક જુદી જુદી વાત કરો છો: કોઈ કહે છે, “હું પાઉલના પક્ષનો છું;” કોઈ કહે છે, “હું આપોલસના પક્ષનો છું;” કોઈ કહે છે, “હું તો કેફાસ(પિતર)ના પક્ષનો છું;” અને વળી કોઈ કહે છે, “હું તો ખ્રિસ્તના જ પક્ષનો છું!” તો શું ખ્રિસ્તનું વિભાજન થઈ ગયું છે? શું પાઉલ તમારે માટે ક્રૂસ પર મરણ પામ્યો હતો? શું તમને પાઉલના અનુયાયીઓ તરીકે બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું? હું ઈશ્વરનો આભાર માનું છું કે ક્રિસ્પસ તથા ગાયસ સિવાય તમારામાંથી બીજા કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું નથી. તેથી મારા અનુયાયીઓ તરીકે તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું એવું કોઈ કહી શકે નહિ. મેં સ્તેફાનસ અને તેના કુટુંબને પણ બાપ્તિસ્મા આપ્યું હતું. તે સિવાય બીજા કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું હોય એવું મને યાદ નથી. કારણ, ખ્રિસ્તે મને બાપ્તિસ્મા આપવા નહિ, પણ શુભસંદેશનો પ્રચાર કરવા મોકલ્યો છે; એ પ્રચાર માનવી જ્ઞાનની ભાષા વાપરીને કરવાનો નથી, રખેને ક્રૂસ પર ખ્રિસ્તે સહેલા મૃત્યુના સામર્થ્યની અસર નિરર્થક થાય. ક્રૂસ પરના ખ્રિસ્તના મરણનો આ સંદેશો નાશમાં જઈ રહેલાઓ માટે મૂર્ખતારૂપ છે; પણ આપણે જેઓ ઉદ્ધાર પામતા જઈએ છીએ તેમને માટે તો તે ખ્રિસ્તનું સામર્થ્ય છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “હું જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ અને ચતુરોનું ચાતુર્ય ફગાવી દઈશ.” ત્યારે તત્ત્વચિંતક ક્યાં ગયા? નિયમશાસ્ત્રના વિદ્વાન કયાં ગયા? આ યુગના દલીલબાજોનું શું થયું? શું ઈશ્વરે દુન્યવી જ્ઞાનને મૂર્ખતારૂપ કર્યું નથી? કારણ, માણસો પોતાના જ્ઞાનથી ઈશ્વરને પામી શકે નહિ એવો પ્રબંધ ઈશ્વરે પોતાના જ્ઞાનથી કર્યો. એને બદલે, જે સંદેશો અમે પ્રગટ કરીએ છીએ તેની “મૂર્ખતા” દ્વારા ઈશ્વરે વિશ્વાસ કરનારાઓનો ઉદ્ધાર કરવાનું ઠરાવ્યું. યહૂદીઓ પુરાવારૂપે અદ્‍ભુત કાર્યો જોવા માગે છે અને ગ્રીકો જ્ઞાન શોધે છે, પણ અમે તો ક્રૂસ પર મરણ પામેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. આ સંદેશો યહૂદીઓ માટે વિધ્નરૂપ અને બિનયહૂદીઓ માટે મૂર્ખતારૂપ લાગે છે. પણ ઈશ્વરે જેમને આમંત્રણ આપ્યું છે-પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય-તેમને તો ખ્રિસ્ત ઈશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય છે. કારણ, ઈશ્વરના જ્ઞાન અને સામર્થ્યની નીચામાં નીચી કક્ષા સુધી પણ માનવીનું ઊંચામાં ઊંચું જ્ઞાન અને તેનું સામર્થ્ય પહોંચી શક્તાં નથી. ભાઈઓ, ઈશ્વરે તમને આપેલા આમંત્રણને ધ્યાનમાં રાખો. માનવી ધોરણો પ્રમાણે તમારામાંના ઘણા જ્ઞાની, શક્તિશાળી કે ઉચ્ચ સામાજિક સ્થાન ધરાવતા નહોતા. દુનિયા જેમને મૂર્ખ ગણે છે તેમને ઈશ્વરે ઇરાદાપૂર્વક જ પસંદ કર્યા છે, જેથી જ્ઞાનીઓ શરમાઈ જાય; દુનિયા જેમને નિર્બળ ગણે છે તેમને તેમણે પસંદ કર્યા છે; જેથી શક્તિશાળીઓ શરમાઈ જાય. વળી, દુનિયા જેમને ઊતરતા ગણે છે, ધિક્કારે છે અને તુચ્છકારે છે, તેમને ઈશ્વરે પસંદ કર્યા છે, જેથી દુનિયા જેમને મહત્ત્વના ગણે છે, તેઓ તેમનું સ્થાન ગુમાવે. જેથી ઈશ્વરની સમક્ષ કોઈ માનવી ગર્વ કરી શકે નહિ. પણ ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં મેળવાયા છો. ઈશ્વરે ખ્રિસ્તને આપણું જ્ઞાન બનાવ્યા છે. તેમની મારફતે આપણે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવ્યા છીએ, ઈશ્વરના અલગ કરાયેલા લોક બન્યા છીએ અને પાપથી મુક્ત થયા છીએ. આથી ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “જે કોઈ ગર્વ કરે તેણે પ્રભુ સંબંધી ગર્વ કરવો.” ભાઈઓ, મેં તમારી મુલાકાત લીધી ત્યારે ઈશ્વરનું માર્મિક સત્ય પ્રગટ કરવા માટે મેં ઉત્તમ વક્તૃત્ત્વ કે વિદ્વતાનો ઉપયોગ કર્યો ન હતો. કારણ, ઈસુ ખ્રિસ્ત અને ક્રૂસ પરના તેમના મરણ સિવાય તમારી મયે બીજું કંઈ ન જાણવાનો મેં નિર્ણય કર્યો હતો. તેથી મેં તમારી મુલાકાત લીધી ત્યારે હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી કંપારી સાથે રહ્યો હતો. મેં મારું શિક્ષણ તથા સંદેશ માનવી જ્ઞાનની આકર્ષક ભાષામાં આપ્યાં ન હતાં, પણ પવિત્ર આત્માના સામર્થ્યના પ્રકટીકરણ દ્વારા જણાવ્યાં હતાં. આમ, તમારા વિશ્વાસનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર રહેલો છે. છતાં, આત્મિક રીતે પરિપકવ થયેલા માણસોની સાથે હું જ્ઞાનની વાત કરું છું. આ જ્ઞાન આ દુનિયાનું કે તેના સત્તાધારીઓનું નથી; તેમની સત્તા તો ઘટતી જાય છે. પણ જે જ્ઞાન વિષે હું વાત કરું છું તે તો માણસોથી ગુપ્ત રખાયેલું ઈશ્વરનું જ્ઞાન છે. તે જ્ઞાન તો સૃષ્ટિના સર્જન અગાઉ ઈશ્વરે આપણને મહિમાવંત કરવા માટે પસંદ કર્યું છે. આ યુગના કોઈ સત્તાધારીને આ જ્ઞાન વિષે ખબર નથી. એ સત્તાધારીઓ એ જાણતા હોત, તો તેઓ મહિમાવંત પ્રભુને ક્રૂસે જડત નહિ. શાસ્ત્રમાં લખેલું છે, “માનવીએ જે વાનાં કદી જોયાં નથી, જેના વિષે કદી સાંભળ્યું નથી, અને જેના વિષે કલ્પનાયે કરી ન હોય, તે વાનાં ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓ માટે સિદ્ધ કર્યાં છે.” પણ ઈશ્વરે પોતાના પવિત્ર આત્મા દ્વારા આપણને માર્મિક સત્ય પ્રગટ કર્યું છે. પવિત્ર આત્મા ઈશ્વરના ગહન ઈરાદાઓ સહિત તેમની સર્વ વાતો જાણે છે. જેમ માણસનો આત્મા તેની બધી વાતો જાણે છે તેમ ઈશ્વરનો આત્મા ઈશ્વરની બધી વાતો જાણે છે. આપણને આ દુનિયાનો આત્મા નહિ, પણ ઈશ્વરની મારફતે મોકલવામાં આવેલો પવિત્ર આત્મા પ્રાપ્ત થયો છે; જેથી ઈશ્વરે આપણને જણાવેલી વાત આપણે જાણી શકીએ છીએ. તેથી એ આત્મિક સત્યોની વાત અમે માનવી જ્ઞાને શીખવેલા શબ્દોમાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલા શબ્દોમાં જેમની પાસે પવિત્ર આત્મા છે તેમને જણાવીએ છીએ. હવે જેની પાસે પવિત્ર આત્મા નથી, તે ઈશ્વરના આત્મા પાસેથી મળતી બક્ષિસો મેળવી શકતું જ નથી. હકીક્તમાં તો આ આત્મિક સત્યો તેને સમજાતાં જ નથી, પણ તે તેને મૂર્ખતારૂપ લાગે છે. કારણ, તેમનું મૂલ્ય આત્મિક રીતે અંક્ય છે. જેની પાસે ઈશ્વરનો આત્મા છે તે બધી બાબતોનું મૂલ્ય આંકી શકે છે, પણ કોઈ એ વ્યક્તિનું મૂલ્યાંકન કરી શકતું નથી. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “પ્રભુના મનને કોણ જાણે છે? કોણ પ્રભુને સલાહ આપવા સમર્થ છે?” જોકે અમે તો ખ્રિસ્તનું મન જાણીએ છીએ. ભાઈઓ, જેમની પાસે પવિત્ર આત્મા હોય, તેમની સાથે જે રીતે વાત કરી શકાય, તે રીતે હું તમારી સાથે વાત કરી શકયો નહિ. તમે જાણે કે દુન્યવી માણસો હો અને ખ્રિસ્ત પરના વિશ્વાસમાં બાળકો હો તે રીતે મારે તમારી સાથે વાત કરવી પડી હતી. મેં તો તમને દૂધ પાયું હતું, ભારે ખોરાક નહિ; કારણ, તમે ભારે ખોરાક પચાવવા સમર્થ નહોતા; હજુ પણ તમે તેને માટે યોગ્ય નથી. કારણ, હજુ તમે દુન્યવી માણસોની જેમ જીવો છો. તમારામાં ઈર્ષા છે, અને તમે એકબીજા સાથે ઝઘડો છો. શું એ નથી બતાવતું કે તમે દુન્યવી ધોરણ પ્રમાણે ચાલો છો? તમારામાંનો એક કહે છે, “હું પાઉલના પક્ષનો છું;” અને બીજો કહે છે, “હું આપોલસના પક્ષનો છું.” તો શું તમારી વર્તણૂક દુન્યવી માણસોના જેવી નથી? આપોલસ કોણ છે? વળી, પાઉલ કોણ છે? અમે તો માત્ર ઈશ્વરના સેવકો જ છીએ કે જેમની મારફતે તમે વિશ્વાસ કર્યો છે. અમારામાંનો દરેક પ્રભુએ તેને સોંપેલું કાર્ય કરે છે. મેં રોપ્યું, આપોલસે પાણી પાયું, પણ વૃદ્ધિ તો ઈશ્વરે આપી છે. હકીક્તમાં તો રોપનાર કે પાનારનું કંઈ મહત્ત્વ નથી. મહત્ત્વ તો ઈશ્વરનું છે. કારણ, તે જ વૃદ્ધિ આપે છે. રોપનાર અને પાનાર વચ્ચે કંઈ તફાવત નથી. દરેક વ્યક્તિ ઈશ્વરે તેને સોંપેલું કાર્ય જે રીતે કરશે તે પ્રમાણે તેને બદલો મળશે. અમે ઈશ્વરના કાર્યમાં સહકાર્યકરો છીએ. તમે ઈશ્વરનું ખેતર છો. તમે ઈશ્વરની ઇમારત પણ છો. ઈશ્વરે મને આપેલી કૃપા પ્રમાણે મેં એક કુશળ ઇજનેરની જેમ પાયો નાખ્યો છે. હવે બીજો માણસ તે પર બાંધક્મ કરી શકે છે, પણ પોતે કેવી રીતે બાંધે છે તે વિષે દરેકે સાવધ રહેવું, કારણ, પાયો તો ઈશ્વરે નાખ્યો છે, અને તે પાયો તો ઈસુ ખ્રિસ્ત છે. તેથી બીજો પાયો નાખી શકાય નહિ. તે પાયા ઉપર બાંધક્મ કરતાં કોઈ સોનું, રૂપું કે કીમતી પથ્થરોનો ઉપયોગ કરે, અથવા લાકડું, ઘાસ કે ખડ વાપરે; પણ દરેક વ્યક્તિના કાર્યનું મૂલ્યાંકન ખ્રિસ્તના આગમનના દિવસે જાહેર કરવામાં આવશે. તે દિવસે દરેકના કાર્યની પરીક્ષા અગ્નિથી કરાશે, અને કોનું બાંધક્મ સાચું છે તે બતાવી અપાશે. જે માણસનું બાંધક્મ અગ્નિમાં ટકી રહેશે તેને ઇનામ મળશે. પણ જેનું ક્મ બળી જશે, તેને ખોટ જશે. જોકે તે પોતે તો બચી જશે, પણ તે જાણે કે આગમાંથી બચાવી લીધેલા ખોયણા જેવો હશે. તમે ઈશ્વરનું મંદિર છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે એ વાતની શું તમને ખબર નથી? જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરે, તો ઈશ્વર પણ તેનો નાશ કરશે. કારણ, ઈશ્વરનું મંદિર પવિત્ર છે, અને એ મંદિર તમે પોતે જ છો. કોઈ પોતાની જાતને છેતરે નહિ. તમારામાંથી કોઈ એમ ધારે કે દુન્યવી ધોરણ પ્રમાણે પોતે જ્ઞાની છે, તો ખરેખર જ્ઞાની બનવા માટે તેણે મૂર્ખ બનવું. કારણ, દુન્યવી જ્ઞાન ઈશ્વરની દૃષ્ટિમાં મૂર્ખાઈ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર જ્ઞાનીઓને તેમની હોશિયારીમાં પકડી પાડે છે.” અને બીજી જગ્યાએ ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર જાણે છે કે જ્ઞાનીઓના વિચારો નિરર્થક છે.” તેથી કોઈએ માણસોના કાર્ય વિષે બડાશ મારવી નહિ. કારણ, બધું તમારું છે. પાઉલ, આપોલસ અને પિતર; આ દુનિયા, જીવન અને મરણ; વર્તમાન અને ભવિષ્ય આ બધું તમારું છે. તમે ખ્રિસ્તના છો, અને ખ્રિસ્ત ઈશ્વરના છે. અમારી ગણના ખ્રિસ્તના સેવકો તરીકે અને ઈશ્વરનાં માર્મિક સત્યોના કારભારી તરીકે થવી જોઈએ. કારભારી પોતાના શેઠને વિશ્વાસુ રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પણ મને તો મારો ન્યાય તમે કરો કે બીજાં કોઈ માનવી ધોરણો પ્રમાણે કરવામાં આવે તેની કંઈ પરવા નથી. અરે, હું પોતે પણ મારી જાતનો ન્યાય કરતો નથી. મારી વિરુદ્ધ કંઈ હોય તો તેની મને ખબર નથી. પણ એનો અર્થ એ નથી કે હું નિર્દોષ છું. મારો ન્યાય કરનાર તો પ્રભુ છે. આથી તમારે કોઈનો ન્યાય કરવો નહિ, પણ યોગ્ય સમયની એટલે કે પ્રભુના આગમન વખતે થનાર આખરી ન્યાય માટે રાહ જોવી. અંધકારમાં છુપાયેલી વાતોને પ્રભુ પ્રકાશમાં લાવશે અને માણસોના દયના છૂપા ઇરાદાઓ જાહેર કરશે. પછી તો દરેક માણસ ઈશ્વર તરફથી ઘટતી પ્રશંસા પામશે. ભાઈઓ, તમારે લીધે જ આ બધી વાતો મેં આપોલસને તથા મને લાગુ પાડી છે. “ધર્મશાસ્ત્ર પ્રમાણે ચાલો,” એ વિધાનનો અર્થ તમે સમજી શકો, માટે મેં માત્ર અમારું ઉદાહરણ આપ્યું છે. એક વ્યક્તિ વિષે અભિમાન કરીને તમારે બીજી વ્યક્તિનો ધિક્કાર કરવો જોઈએ નહિ. તમને બીજાઓના ઉપરી કોણે બનાવ્યા? તમારી પાસે જે કંઈ છે તે શું ઈશ્વર તરફથી નથી? તો પછી તમને જે મળ્યું છે તે જાણે કે બક્ષિસ નથી એવી બડાઈ કેમ મારો છો? તમને તો સર્વ જરૂરિયાતો પૂરી પડેલી છે! તમે તો હવે ધનવાન બની ગયા છો! તમે રાજાઓ બની ગયા છો, અમે તો નથી. હું એવું ઇચ્છું છું કે તમે સાચા અર્થમાં રાજા બનો, જેથી અમે પણ તમારી સાથે રાજ કરી શકીએ. મને તો એમ લાગે છે કે ઈશ્વરે અમ પ્રેષિતોને જાહેરમાં મરણ પામવા દોષિત ઠરેલા માણસોની જેમ દૂતો અને માણસો સમક્ષ તમાશા જેવા બનાવીને સૌથી છેલ્લે સ્થાને મૂક્યા છે. ખ્રિસ્તને લીધે અમે મૂર્ખ, પણ તમે બુદ્ધિમાન; અમે નિર્બળ, પણ તમે બળવાન છો. અમને તુચ્છકારવામાં આવે છે, પણ તમને માન આપવામાં આવે છે. છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા, તરસ્યા અને ચીંથરેહાલ છીએ; અમે ધક્કા ખાઈએ છીએ; અમે ઘરબાર વગરના અહીંતહીં ભટકીએ છીએ. પોતાનું ભરણપોષણ કરવા માટે અમે સખત ક્મ કરીએ છીએ. નિંદાયેલા છતાં અમે આશિષ દઈએ છીએ. અમારી સતાવણી થાય છે, ત્યારે અમે સહન કરીએ છીએ. અમારું અપમાન કરવામાં આવે છે, ત્યારે અમે માયાળુ શબ્દોથી પ્રત્યુતર આપીએ છીએ. અમે આ દુનિયાના કચરા જેવા થયા છીએ. છેક આ સમય સુધી અમે દુનિયાના ઉતાર જેવા મનાયા છીએ. આ વાતો તમને શરમાવવા નહિ, પણ તમને મારાં પ્રિય બાળકો ગણીને હું તમને શિક્ષણ આપવા માટે લખું છું. ખ્રિસ્તમાં તમારું જે જીવન છે, તેમાં જો કે તમારે દસ હજાર વાલીઓ હોય, પણ તમારે પિતા તો એક જ છે. મેં તમને શુભસંદેશ જણાવ્યો હોવાથી, ખ્રિસ્તમાં તમારું જે જીવન છે તેમાં હું તમારો પિતા બન્યો છું. આથી તમે મારા નમૂના પ્રમાણે ચાલો એવો મારો આગ્રહ છે. આ જ કારણથી હું તમારી પાસે તિમોથીને મોકલું છુ. પ્રભુમાં તે મારો પ્રિય અને વિશ્વાસુ પુત્ર છે. ખ્રિસ્ત ઈસુમાંના નવા જીવનમાં હું જે સિદ્ધાંતો અનુસરું છું અને બધી જગ્યાએ સર્વ મંડળીઓમાં જેનું શિક્ષણ આપું છું તેની તે તમને યાદ અપાવશે. હું તમારી મુલાકાત લેવાનો નથી એમ માનીને તમારામાંના કેટલાક ગર્વિષ્ઠ થયા છે. પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી મુલાકાત જલદી લઈશ. તે વખતે એ ગર્વિષ્ઠો શું કહે છે તે જ નહિ, પણ તેઓ શું કરી શકે છે તેની પણ હું જાતે જ તપાસ કરીશ. કારણ, ઈશ્વરનું રાજ શબ્દોમાં નહિ, પણ સામર્થ્યમાં છે. તમારી પાસે હું શું લઈને આવું? સોટી કે પ્રેમી અને માયાળુ હૃદય? તમારી શી પસંદગી છે? તમારામાં સાચે જ વ્યભિચાર છે એવું મને જાણવા મળ્યું છે, અને એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ નથી હોતો! એક માણસે પોતાની સાવકી માને પત્ની તરીકે રાખી છે! તો પછી તમે કેવી રીતે ગર્વ કરી શકો? એથી ઊલટું, તમારે દુ:ખી થવું જોઈએ, અને જેણે એ કૃત્ય કર્યું છે તેને તમારી સંગતમાંથી કાઢી મૂકવો જોઈએ. જો કે શારીરિક રીતે તો તમારાથી હું ઘણો દૂર છું, પણ આત્માએ કરીને તમારી પાસે જ છું. હું જાણે કે તમારી સાથે જ હોઉં તેમ એ ભયંકર કૃત્ય કરનાર માણસનો ન્યાય તો મેં પ્રભુ ઈસુના નામમાં કરી દીધો છે. તેથી તમે એકત્ર થાઓ ત્યારે હું ય આત્મામાં તમારી સાથે હોઈશ. તે વખતે આપણી સાથેના પ્રભુ ઈસુના સામર્થ્ય દ્વારા તમે એ માણસની સોંપણી શેતાનને કરો, જેથી તેનો દેહ નાશ પામે, પણ પ્રભુના આગમનને દિવસે તેનો આત્મા બચી જાય. તમે અભિમાન કરો છો તે ઉચિત નથી. “થોડું ખમીર બાંધેલા લોટની સમગ્ર કણકને ફુલાવે છે,” એ કહેવતની તો તમને ખબર છે ને? તમારે આ પાપરૂપી જૂના ખમીરને બહાર કાઢી નાખવું જોઈએ; જેથી તમે ખમીર વગરના બાંધેલા લોટના નવા જથ્થા જેવા બની જશો. ખરું જોતાં તો તમે એવા છો જ. કારણ, પાસ્ખાનું ભોજન તૈયાર છે. આપણા પાસ્ખાનું ઘેટું એટલે ખ્રિસ્તને બલિદાન તરીકે વધેરવામાં આવ્યા છે. તેથી આપણે પાપ અને દુષ્ટતાના જૂના ખમીરવાળી રોટલીથી નહિ, પણ ખમીર વગરની એટલે કે શુદ્ધતા અને સત્યતાની રોટલીથી આ પર્વની ઉજવણી કરીએ. મેં મારા અગાઉના પત્રમાં તમને જણાવ્યું હતું કે તમારે વ્યભિચારીઓ સાથે સંબંધ રાખવો નહિ. પણ તેનો અર્થ એ નથી કે તમારે આ દુનિયાના વ્યભિચારીઓ, લોભીઓ, દુષ્ટો કે મૂર્તિપૂજકોની સાથે બિલકુલ સંબંધ રાખવો નહિ. તેમનાથી તદ્દન અલગ થવુ હોય, તો તો તમારે આ દુનિયા છોડીને ચાલ્યા જવું પડે. પણ મારો લખવાનો અર્થ આ હતો: પોતાને વિશ્વાસી ભાઈ કહેવડાવવા છતાં જે વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદાખોર, દારૂડિયો કે દુષ્ટ છે, તેની સાથે તમારે સંબંધ રાખવો નહિ. આવી વ્યક્તિની સાથે બેસીને ભોજન પણ લેશો નહિ. જેઓ આપણી સંગતની બહાર છે તેમનો હું ન્યાય કરવા માગતો નથી. એમનો ન્યાય તો ઈશ્વર કરશે. પણ શું તમે તમારી જ સંગતના માણસોનો ન્યાય કરી શક્તા નથી? ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “તમે તમારી સંગતમાંથી એ દુષ્ટને દૂર કરો.” તમારામાંથી કોઈને બીજા ભાઈની વિરુદ્ધ તકરાર થાય ત્યારે તેના નિકાલ માટે ઈશ્વરના લોક પાસે ન જતાં તમે વિધર્મી ન્યાયાધીશોની પાસે જવાની હિંમત કરો છો? ઈશ્વરના લોક દુનિયાનો ન્યાય કરશે એની શું તમને ખબર નથી? જો તમારે દુનિયાનો ન્યાય કરવાનો હોય, તો તદ્દન નજીવી બાબતોનો નિકાલ કરવાને શું તમે લાયક નથી? આપણે દૂતોનો ન્યાય કરીશું એની શું તમને ખબર નથી? તો આ દુનિયાની બાબતો અંગેનો ન્યાય કરવા તમે લાયક નથી? તો પછી આ દુનિયાની બાબતોના વિવાદના નિકાલ માટે તમે મંડળીમાં જેમનું કંઈ સ્થાન જ નથી એવા લોકો પાસે કેમ જાઓ છો? હું તમને શરમાવવા આ કહું છું. ભાઈઓ વચ્ચેના વિવાદનો નિકાલ કરી શકે એવો એકેય શાણો માણસ તમારી સંગતમાં નથી? એક ભાઈ બીજા ભાઈ વિરુદ્ધ અદાલતમાં કેસ માંડે છે અને તેય અવિશ્વાસી આગળ! હકીક્તમાં, તમારામાં આવા અદાલતી વિવાદ હોય એ જ તમારી સરિયામ નિષ્ફળતા છે. અદાલતમાં જવા કરતાં તમે પોતે જ કેમ અન્યાય સહન કરી લેતા નથી? તમે નુક્સાન કેમ વેઠતા નથી? એને બદલે, તમે તો પોતાના ભાઈને જ અન્યાય કરો છો અને નુક્સાન પહોંચાડો છો. શું તમે નથી જાણતા કે દુષ્ટોને ઈશ્વરના રાજમાં ભાગ નથી? પોતાને છેતરશો નહિ. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, વિલાસીઓ, સજાતીય સમાગમ કરનારા, ચોર, લોભી, દારૂડિયા, નિંદાખોર કે દુષ્ટો કે એવા બીજા કોઈ ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકશે નહિ, તમારામાંના કેટલાક તો એવા જ હતા, પણ ઈશ્વરના આત્માથી અને આપણા પ્રભુ ઈસુના નામની મારફતે તમને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા, અલગ કરવામાં આવ્યા અને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા. કોઈ એમ કહેશે, “મને બધું જ કરવાની છૂટ છે,” પણ તમારે માટે બધું લાભકારી નથી. હું આમ કહીશ, “મને બધું કરવાની છૂટ છે, પણ હું કશાનો ગુલામ બનવાનો નથી.” બીજું કોઈ કહેશે, “અન્‍ન પેટ માટે છે અને પેટ અન્‍ન માટે છે.” એ સાચું તો છે, પણ ઈશ્વર એ બન્‍નેનો નાશ કરશે. માનવી શરીર વ્યભિચાર કરવા માટે નહિ, પણ પ્રભુને માટે છે; અને પ્રભુ શરીરના પાલનહાર છે. ઈશ્વરે પ્રભુ ઈસુને મરણમાંથી સજીવન કર્યા છે અને તેમના એ સામર્થ્યથી તે આપણને પણ ફરી સજીવન કરશે. તમે જાણો છો કે તમારાં શરીરો ખ્રિસ્તના શરીરના અવયવો છે. તો શું હું ખ્રિસ્તના શરીરના અવયવોને વેશ્યા સાથે જોડી શકું? ના, કદી નહિ! શું તમને ખબર નથી કે જે વેશ્યાની સાથે જોડાય છે તે શારીરિક રીતે તેની સાથે એક થાય છે? ધર્મશાસ્ત્રમાં તો સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, “તેઓ બન્‍ને મળીને એક શરીર બનશે.” પણ જે પ્રભુની સાથે જોડાય છે તે તેમની સાથે એક આત્મા થાય છે. વ્યભિચારથી નાસો. માનવીનાં બીજાં પાપ તેના શરીરની બહારનાં છે, પણ જે વ્યભિચાર કરે છે તે પોતાના શરીરની વિરુદ્ધ જ પાપ કરે છે. તમારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે તેની શું તમને ખબર નથી? આ પવિત્ર આત્મા ઈશ્વર તરફથી મળેલો છે અને તે આપણામાં વસે છે. ઈશ્વરે તમને કિંમત ચૂકવીને ખરીદેલા હોવાથી તમે હવે પોતાના નથી; પણ ઈશ્વરના છો. આથી તમારા શરીરનો ઉપયોગ ઈશ્વરના મહિમાર્થે કરો. હવે જે બાબતો વિષે તમે પુછાવ્યું હતું તે વિષે લખું છું. “પુરુષ લગ્ન ન કરે તો સારું” એમ કહેવાય છે. પણ વ્યભિચારનું જોખમ હોવાથી દરેક પુરુષને પોતાની પત્ની હોવી જોઈએ અને દરેક સ્ત્રીને તેનો પતિ હોવો જોઈએ પતિએ પત્નીની અને પત્નીએ પતિની જરૂરિયાત સંતોષી એકબીજા પ્રત્યેની ફરજ અદા કરવી જોઈએ. પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, એ અધિકાર પતિને છે. તે જ પ્રમાણે પતિને પોતાના શરીર પર અધિકાર નથી, એ અધિકાર પત્નીને છે. તેથી તમે એકબીજાને એ અધિકારથી વંચિત રાખશો નહિ. પ્રાર્થનામાં સમય ગાળવા એકબીજાની સંમતિથી અલગ રહો. પણ તે પછી, તમારી વાસનાને લીધે શેતાન તમને પ્રલોભનમાં ન નાખે માટે તમારું દંપતી તરીકેનું સાહજિક જીવન જીવો. આ વાત હું આજ્ઞા તરીકે નહિ, પણ એક છૂટછાટ તરીકે કહું છું. હકીક્તમાં તો બધાં માણસો મારા જેવાં હોય તેવી મારી ઇચ્છા છે. પણ ઈશ્વરે દરેકને એક યા બીજા પ્રકારનું ખાસ કૃપાદાન આપેલું હોય છે. હવે હું અપરિણીતો તથા વિાુર- વિધવાઓ માટે લખું છું: જેમ હું એકલો રહું છું, તેમ તમે એકલાં રહો એ સારું છે. પણ જો તમે તમારી ઇચ્છાઓને કાબૂમાં રાખી શક્તા ન હો તો લગ્ન કરો. કારણ, વાસનામાં બળવા કરતાં લગ્ન કરવું સારું છે. પરિણીતોને માટે મારી પોતાની તો નહિ, પણ પ્રભુની આજ્ઞા છે: પત્નીએ પોતાના પતિથી અલગ થવું નહિ. જો તે અલગ થાય તો તેણે એકલી રહેવું જોઈએ અથવા પતિની સાથે સમાધાન કરવું જોઈએ. પતિએ પણ તેની પત્નીથી લગ્નવિચ્છેદ કરવો જોઈએ નહિ. બાકીનાઓને તો પ્રભુ નહિ, પણ હું જણાવું છું: જો કોઈ ખ્રિસ્તી ભાઈને અવિશ્વાસી પત્ની હોય, અને તે તેની સાથે રહેવા રાજી હોય તો તેણે તેનાથી લગ્નવિચ્છેદ કરવો નહિ. તેમ જ જો કોઈ ખ્રિસ્તી બહેનને અવિશ્વાસી પતિ હોય અને તે તેની સાથે રહેવા રાજી હોય તો તેણે પણ તેનાથી લગ્નવિચ્છેદ કરવો નહિ. કારણ, અવિશ્વાસી પતિ ખ્રિસ્તી પત્ની સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. તેવી જ રીતે અવિશ્વાસી પત્ની ખ્રિસ્તી પતિ સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. જો એમ ન હોત, તો તેમનાં બાળકો અશુદ્ધ ગણાય, પરંતુ હકીક્તમાં તો ઈશ્વર તેમને સ્વીકારે છે. જો અવિશ્વાસી જીવનસાથી તેના ખ્રિસ્તી જીવનસાથી સાથે રહેવા રાજી ન હોય તો તેને છૂટો થવા દે. આવા કિસ્સાઓમાં ખ્રિસ્તી પતિ કે પત્ની યોગ્ય પગલું ભરવાને સ્વતંત્ર છે. હે ખ્રિસ્તી પત્ની, તું તારા અવિશ્વાસી પતિનો ઉદ્ધાર નહિ કરી શકે એવી ખાતરી તને કયાંથી મળે? વળી, હે ખ્રિસ્તી પતિ, તું તારી અવિશ્વાસી પત્નીનો ઉદ્ધાર નહિ કરી શકે એવી તને ક્યાંથી ખબર પડી? પ્રભુએ આપેલા કૃપાદાન પ્રમાણે અને વ્યક્તિને ઈશ્વર તરફથી આમંત્રણ મળ્યું ત્યારની પોતાની સ્થિતિ પ્રમાણે દરેકે જીવન જીવવું જોઈએ. આ નિયમ હું બધી મંડળીઓમાં શીખવું છું. જો કોઈ સુન્‍નતીએ ઈશ્વરનું આમંત્રણ સ્વીકાર્યું હોય, તો પછી તેણે સુન્‍નતનાં ચિહ્ન દૂર કરવા માટે યત્ન કરવો જોઈએ નહિ. જો કોઈ સુન્‍નત વગરના માણસે ઈશ્વરનું આમંત્રણ સ્વીકાર્યું હોય, તો તેણે સુન્‍નત કરાવવા યત્ન કરવો નહિ. કારણ, સુન્‍નતી હોવું કે સુન્‍નત વગરના હોવું એનું કંઈ મહત્ત્વ નથી. પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન એ જ મહત્ત્વનું છે. ઈશ્વરનું આમંત્રણ સ્વીકારતી વેળાએ પોતાની જે સ્થિતિ હતી તે મુજબ બધાંએ રહેવું જોઈએ. ઈશ્વરે તમને બોલાવ્યા ત્યારે તમે ગુલામ હતા? તો ગુલામ ભલે રહ્યા, પરંતુ તમને સ્વતંત્ર થવાની તક મળે તો તે ઝડપી લો. કોઈ ગુલામને પ્રભુએ આમંત્રણ આપ્યું હોય તો તે પ્રભુનો સ્વતંત્ર માણસ છે. તે જ રીતે કોઈ સ્વતંત્ર માણસને ખ્રિસ્તે બોલાવ્યો હોય, તો તે ખ્રિસ્તનો ગુલામ છે. ઈશ્વરે તમને કિંમત ચૂકવીને ખરીદેલા છે. તેથી તમે માણસોના ગુલામ બનશો નહિ. ભાઈઓ, ઈશ્વરે દરેકને જે સ્થિતિમાં આમંત્રણ આપ્યું છે તે જ સ્થિતિ મુજબ ઈશ્વરની સાથેના સંબંધમાં ચાલુ રહો. હવે હું કુંવારાં વિષે જણાવું છું: મને પ્રભુ તરફથી કોઈ આજ્ઞા મળી નથી, પણ પ્રભુની દયાથી વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે હું મારો મત જણાવું છું. હાલની નાજુક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને દરેક માણસે પોતે જે સ્થિતિમાં છે તેમાં જ રહેવું. શું તું પરિણીત છે? તો તું તારી પત્નીને મૂકી દેવાનો પ્રયત્ન ન કર. શું તું અપરિણીત છે? તો પછી પત્નીની આશા ન રાખ. જો તું લગ્ન કરે તો તું પાપ કરતો નથી, અને જો કોઈ કુમારિકા લગ્ન કરે તો તે પણ પાપ કરતી નથી, પણ જેઓ લગ્ન કરે છે તેમને દુન્યવી મુશ્કેલીઓ વેઠવી પડે છે. હું તો તમને તેમાંથી બચાવી લેવા માગું છું. ભાઈઓ, હું તમને આ વાત સમજાવવા માગું છું: હવે બહુ થોડો સમય રહ્યો છે. આથી લગ્ન કરેલાંઓએ તેમણે જાણે લગ્ન કર્યું ન હોય તે રીતે; રુદન કરનારાંઓએ તેઓ જાણે કદીયે દુ:ખી હતાં જ નહિ તે રીતે; જેઓ ખરીદી કરે છે તેઓ જાણે કદી કશાના માલિક બન્યા ન હોય તે રીતે; અને દુન્યવી વ્યવહારમાં પડેલાંઓએ તેમને જાણે કે દુનિયા સાથે કંઈ લાગભાગ ન હોય તે રીતે રહેવું. કારણ, આ દુનિયા તેની હાલની સ્થિતિમાં બહુ લાંબું ટકવાની નથી. તમે ચિંતામુક્ત રહો એવી મારી ઇચ્છા છે. અપરિણીત વ્યક્તિ પ્રભુના કાર્યની ચિંતા રાખે છે. કારણ, તે પ્રભુને પ્રસન્‍ન કરવા યત્ન કરે છે. પણ પરિણીત વ્યક્તિ દુન્યવી બાબતોની ચિંતા રાખે છે. કારણ, તે પોતાની પત્નીને પ્રસન્‍ન કરવા માગે છે. આમ, તે બે દિશામાં ખેંચાય છે. અપરિણીત સ્ત્રી પ્રભુના કાર્યની ચિંતા રાખે છે. કારણ, તે શરીર તથા આત્મા બન્‍નેનું સમર્પણ કરવા માગે છે. પણ પરિણીત સ્ત્રી દુન્યવી વાતોની ચિંતા રાખે છે, કારણ, તે તેના પતિને પ્રસન્‍ન કરવા માગે છે. હું તો તમને મદદરૂપ થવાને માટે જ આ વાતો જણાવું છું. હું તમારા પર કંઈ નિયંત્રણ મૂકવા માગતો નથી. પણ જે સાચું અને યોગ્ય છે તે તમે કરો અને તમે પ્રભુની સેવામાં સંપૂર્ણપણે બિનશરતી સમર્પણ કરો એટલા માટે હું કહું છું. પણ કોઈને એમ લાગે કે કુંવારી અવસ્થામાં રહેવાથી તે પોતાની જાત પ્રત્યે યોગ્ય રીતે વર્તતો નથી અને તેની લગ્ન કરવાની ઉંમર ક્યારનીય થઈ ચૂકી હોવાથી તેણે લગ્ન કરી લેવું જોઈએ તો એમ કરવામાં કંઈ પાપ નથી. આવા લોકો ભલે લગ્ન કરે. પણ કોઈને લગ્ન કરવાની જરૂર ન હોય અને પોતાના નિર્ણયમાં દૃઢ હોય અને પોતાની ઇચ્છા વશમાં રાખી શકે તેમ હોવાથી કુંવારી અવસ્થામાં જ રહેવાનો મનથી સંકલ્પ કર્યો હોય તો તે સારું કરે છે. આમ, જે લગ્ન કરે છે તે સારું કરે છે અને જે લગ્ન નથી કરતો તે વધારે સારું કરે છે. પતિ જીવંત હોય ત્યાં સુધી પરણેલી સ્ત્રી સ્વતંત્ર નથી. પણ પતિના મૃત્યુ પછી પોતાની પસંદગી મુજબના માણસ સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ એ માણસ વિશ્વાસી હોવો જોઈએ. છતાં તે વિધવાવસ્થામાં જ રહે તો તે વધુ સુખી થશે. આ મારુ મંતવ્ય છે અને હું માનું છું કે ઈશ્વરનો પવિત્ર આત્મા મને એ વાત જણાવે છે. હવે મૂર્તિઓને ચઢાવેલા નૈવેદ વિષે હું જણાવીશ. એ તો સાચું છે કે, આપણા સૌની પાસે જ્ઞાન છે. છતાં જ્ઞાન માનવીને ગર્વિષ્ઠ બનાવે છે, જ્યારે પ્રેમ તેની ઉન્‍નતિ કરે છે. જો કોઈ એમ ધારતો હોય કે પોતે કંઈ જાણે છે, તો હજી તેણે જેટલું જાણવું જોઈએ તેટલું તે જાણતો નથી. પણ જો તે ઈશ્વર પર પ્રેમ કરે છે તો ઈશ્વર તેને ઓળખે છે. મૂર્તિઓને ચઢાવેલા નૈવેદ વિષે જણાવવાનું કે, મૂર્તિ તો જેની હયાતી નથી તેનું પ્રતીક છે. આપણે જાણીએ છીએ કે એક જ ઈશ્વર છે. જોકે આકાશમાં કે પૃથ્વી પર કહેવાતા દેવો ઘણા છે, અને એમાં અનેક “દેવો” અને “પ્રભુઓ” હોય, છતાં આપણે માટે તો એક જ ઈશ્વર છે. તે સૌના સરજનહાર ઈશ્વરપિતા છે અને તેમને માટે આપણે જીવીએ છીએ. વળી, એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે; તેમની મારફતે સર્વ કંઈ સર્જવામાં આવ્યું અને તેમની મારફતે આપણે જીવીએ છીએ. પણ બધા લોકોને આ સત્યની ખબર નથી. કેટલાક લોકો મૂર્તિથી એટલા ટેવાઈ ગયા હોય છે કે આજે પણ તેઓ ખોરાક ખાતાં એ તો મૂર્તિઓનું નૈવેદ છે એમ માને છે. તેમની વિવેકબુદ્ધિ નબળી છે અને આ ખોરાક ખાવાથી અશુદ્ધ થવાય એમ તેઓ માને છે. આપણે કંઈ નૈવેદથી ઈશ્વરને સ્વીકાર્ય બની જતા નથી. એટલે કે, જો આપણે આવું નૈવેદ ન ખાઈએ તો કંઈ ગુમાવતા નથી, અને જો આવું નૈવેદ ખાઈએ તો કંઈ મેળવતા નથી. તમારી આ સ્વતંત્રતાથી વિશ્વાસમાં જેઓ નબળા છે તેઓ પાપમાં ન પડે તે માટે સાવધ રહો. ધારો કે કોઈની વિવેકબુદ્ધિ આ બાબતમાં નબળી છે, અને તારા જેવા “જ્ઞાની” મૂર્તિના મંદિરમાં ખોરાક ખાતાં જુએ છે. તો શું એ જ વાતથી મૂર્તિને ચઢાવેલું નૈવેદ ખાવા તેને ઉત્તેજન નહિ મળે? આથી તમારો ભાઈ જે વિશ્વાસમાં નબળો છે અને જેને માટે ખ્રિસ્ત મરણ પામ્યા, તે તમારા “જ્ઞાન” લીધે નાશ પામશે! આ રીતે તમે તમારા ભાઈની વિરુદ્ધ પાપ કરો છો. તેમ જ તેની નબળી વિવેકબુદ્ધિને હાનિ પહોંચાડીને ખ્રિસ્તની વિરુદ્ધ પણ પાપ કરો છો. આથી જો મારી નૈવેદ ખાવાની બાબત મારા ભાઈની પાસે પાપ કરાવે, તો મારા ભાઈનું પતન ન થાય તે માટે હું કદી માંસ ખાઈશ નહિ. શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેષિત થી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? તમે તો પ્રભુને માટે કરેલા મારા કાર્યનું પરિણામ નથી? બીજાઓ પ્રેષિત તરીકે મારો સ્વીકાર કરે કે ન કરે, તો પણ તમે તો કરશો જ! કારણ, પ્રભુમાંનું તમારું જીવન હું પ્રેષિત છું તેની સાક્ષી પૂરે છે. લોકો મારી ટીકા કરે છે, ત્યારે હું આ રીતે મારો બચાવ કરું છું. શું મારા સેવા કાર્યને લીધે મને ખાવાપીવાનું મેળવવાનો હક્ક નથી? બીજા પ્રેષિતો, પિતર કે પ્રભુના ભાઈઓની માફક મને પણ ખ્રિસ્તી પત્ની સાથે લઈને ફરવાનો હકક નથી? શું ફક્ત બાર્નાબાસ અને મારે જ અમારા ભરણપોષણ માટે ધંધો કરવો પડે? શું લશ્કરમાં કોઈ સૈનિક પોતાનો ખર્ચ ઉઠાવે છે? શું કોઈ ખેડૂત પોતાની દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષ નહિ ખાય? ભરવાડ પોતાનાં ઘેટાંનું દૂધ નહિ પીએ? આ તો રોજિંદા જીવનનાં ઉદાહરણો છે અને નિયમશાસ્ત્રમાં પણ આ જ વાત લખવામાં આવી છે. મોશેના નિયમશાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ કે, “બળદને અનાજ છૂટું પાડવાના ક્મે લગાડેલો હોય ત્યારે તેના મોં પર જાળી બાંધવી નહિ.” શું ઈશ્વર બળદની ચિંતા રાખીને આ કહે છે? શું ઈશ્વર ફક્ત આપણે વિષે જ ચિંતા રાખીને આ વાત નથી કહેતા? હકીક્તમાં એ તો આપણે માટે જ લખવામાં આવ્યું છે. કારણ, થનાર પાકમાંથી પોતાને હિસ્સો મળશે એવી આશાથી ખેડનારે અને કાપણી કરનારે કાર્ય કરવું જોઈએ. અમે તમારામાં આત્મિક શિક્ષણ વાવ્યું છે. તેથી જો અમે તમારી પાસેથી ભૌતિક લાભની અપેક્ષા રાખીએ તો શું એ વધારે પડતું છે? જો બીજાઓ તમારી પાસેથી એ બાબતોની આશા રાખે તો અમને તેથી વિશેષ મેળવવાનો હકક નથી? પણ અમે અમારા એ હક્કનો ઉપયોગ કર્યો નથી. ખ્રિસ્ત વિષેના શુભસંદેશના માર્ગમાં કંઈ અવરોધ આવે નહિ માટે અમે સઘળું સહન કર્યું છે. તમને ખબર છે કે મંદિરમાં ક્મ કરનાર માણસોને મંદિરમાંથી ખોરાક મળે છે અને વેદી પર બલિદાન ચઢાવનારને અર્પણમાંથી ભાગ મળે છે. એ જ પ્રમાણે શુભસંદેશ પ્રગટ કરનારાઓ પણ તેમાંથી જ જીવનનિર્વાહ ચલાવે એવું પ્રભુએ ઠરાવ્યું છે. મેં એવા કોઈ હક્કનો હજી ઉપયોગ કર્યો નથી. અથવા પોતાને માટે આવા હક્કનો દાવો કરવા માટે હું આ લખતો નથી. મારે લેવા યોગ્ય ગૌરવને કોઈ મિથ્યા કરે એ કરતાં તો હું મરવાનું પસંદ કરીશ. હું શુભસંદેશ પ્રગટ કરું છું તો તેમાં મને બડાઈ કરવાનું કંઈ કારણ નથી. કારણ, શુભસંદેશ પ્રગટ કરવો એ તો મારી ફરજ છે. જો હું શુભસંદેશ પ્રગટ ન કરું તો મને અફસોસ! જો હું મારું કાર્ય સ્વેચ્છાએ કરતો હોઉં, તો હું વેતનની આશા રાખું. પણ હું તો આ કાર્ય એક ફરજ સમજીને કરું છું. કારણ, મને આ કાર્ય ઈશ્વરે સોંપ્યું છે. તો પછી મને શો બદલો મળે છે? એ જ કે શુભસંદેશના કાર્યથી મને મળતા હક જતા કરીને હું કોઈપણ જાતના વેતન વગર શુભસંદેશ પ્રગટ કરું. હું સ્વતંત્ર છું, કોઈનો ગુલામ નથી. છતાં ઘણા બધાને મેળવી લેવા માટે હું બધાનો ગુલામ બનું છું. યહૂદીઓ સાથે કાર્ય કરતાં હું યહૂદીની જેમ રહું છું; જેથી હું તેમને ખ્રિસ્ત માટે જીતી શકું. નિયમશાસ્ત્રને આધીન ન હોવા છતાં જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેમની સાથે ક્મ કરતાં હું નિયમશાસ્ત્રને આધીન હોઉં તે રીતે રહું છું; જેથી હું તેમને ખ્રિસ્ત માટે જીતી શકું. એ જ પ્રમાણે જે બિનયહૂદીઓ નિયમશાસ્ત્ર વગરના છે તેમની સાથે હું નિયમશાસ્ત્ર વગરનો હોઉં તેમ રહું છું; જેથી હું બિનયહૂદીઓને જીતી શકું. આનો અર્થ એવો નથી કે હું ઈશ્વરના નિયમનું પાલન કરતો નથી. હકીક્તમાં તો હું ખ્રિસ્તના નિયમના આધિપત્ય નીચે જ છું. વિશ્વાસમાં જેઓ નિર્બળ છે તેમની સાથે હું તેમના જેવો જ નિર્બળ બનું છું; જેથી હું તેમને જીતી શકું. આમ હું બધાંની સાથે બધાંનાં જેવો બનીને ગમે તે રીતે કેટલાકને બચાવી શકું તે માટે હું સર્વના જેવો બનું છું. આ બધું હું શુભસંદેશને ખાતર કરું છું; જેથી તેની આશિષમાં મને ભાગ મળે. શું તમે નથી જાણતા કે દોડવાની શરતમાં બધા દોડનારા જ ભાગ લે છે, પણ ઇનામ ફક્ત એકને જ મળે છે? તમે પણ એવું દોડો કે તમને ઇનામ મળે. બધા ખેલાડી કડક શિસ્તમાં રહીને તાલીમ લે છે. તેઓ તો વિનાશી મુગટ મેળવવા માટે તેમ કરે છે; પણ આપણે તો અવિનાશી મુગટ મેળવવા તેમ કરીએ છીએ. આથી હું લક્ષ્ય વગર દોડતો નથી. એટલે, હું મુક્કાબાજી કરનારા જેવો છું, પણ મુક્કાબાજી કરનાર પોતાની મુક્કીઓ હવામાં મારશે નહિ. હું મારી જાતને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખું છું, રખેને બીજાઓને શુભસંદેશ પ્રગટ કર્યા છતાં મને જ નાપસંદ કરવામાં આવે. ભાઈઓ, આપણા પૂર્વજો વાદળના આચ્છાદન હેઠળ લાલ સમુદ્રમાં થઈને સલામત રીતે પસાર થયા હતા તેની હું તમને યાદ દેવડાવું છું. મોશેને અનુસરતાં વાદળ અને સમુદ્રમાં તેમનું બાપ્તિસ્મા થયું હતું. બધાએ એક જ આત્મિક રોટલી ખાધી હતી. એક જ આત્મિક પાણી પીધું હતું. તેમની સાથે સાથે જનાર આત્મિક ખડકમાંથી તેમણે એ પાણી પીધું હતું; એ ખડક તો ખ્રિસ્ત હતા. આ બધું બન્યા છતાં તેમનામાંના મોટા ભાગના લોકોની સાથે ઈશ્વર પ્રસન્‍ન ન હતા. આથી તેમનાં શબ રણપ્રદેશમાં જુદી જુદી જગ્યાએ પડયાં. તેમણે દુષ્ટ બાબતોની ઇચ્છા રાખી અને તેમનામાંના કેટલાકે મૂર્તિપૂજા કરી. એવું ન કરવા આપણને ચેતવણી મળી રહે એ માટે આ બધી બાબતો આપણે માટે ઉદાહરણરૂપ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “લોકો ખાવાપીવા બેઠા અને ઊઠીને નાચવા લાગ્યા.” તેમનામાંના કેટલાકે વ્યભિચાર કર્યો અને એક જ દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા; આપણે એવું વ્યભિચારનું પાપ ન કરીએ. તેમનામાંના કેટલાકે પ્રભુની પરીક્ષા કરી અને સર્પોએ તેમને મારી નાખ્યા; એમ આપણે પ્રભુની પરીક્ષા ન કરીએ. તેમનામાંના કેટલાકે બડબડાટ કર્યો અને મરણના દૂતે તેમનો નાશ કર્યો; આપણે એમ બડબડાટ ન કરીએ. આ બધી બાબતો બીજાઓને ઉદાહરણરૂપ થવા માટે બની અને આપણે જેઓ યુગોના અંતિમ દિવસોમાં જીવીએ છીએ તેમને ચેતવણી મળે માટે લખવામાં આવી છે. પોતે સ્થિર છે એવું ધારનારે પોતાનું પતન ન થાય તે માટે સાવધ રહેવું. લોકોની સામાન્ય રીતે જે ક્સોટી થતી હોય છે તે કરતાં તમારી વિશેષ ક્સોટી નથી. કારણ, ઈશ્વર પોતાનું વચન પાળે છે. તે તમારી શક્તિ બહારની ક્સોટી તમારા પર આવવા દેશે નહિ. જ્યારે જ્યારે તમારી ક્સોટી થાય ત્યારે ત્યારે તેને સહન કરવાની શક્તિ ઈશ્વર તમને આપશે અને તેમાંથી બચાવનો માર્ગ પણ બતાવશે. તેથી મારા પ્રિય મિત્રો, મૂર્તિપૂજાથી દૂર રહો. તમને શાણા સમજીને હું એ વાત કરું છું. હું જે કહું છું તે ખરું છે કે ખોટું તેનો નિર્ણય તમે જાતે જ કરો. પ્રભુભોજનના પ્યાલા માટે આપણે ઈશ્વરની આભારસ્તુતિ કરીને તેમાંથી પીએ છીએ, ત્યારે શું આપણે ખ્રિસ્તના રક્તના સહભાગી નથી? વળી, જ્યારે રોટલી ખાઈએ છીએ, ત્યારે શું આપણે ખ્રિસ્તના શરીરના સહભાગી નથી? હવે રોટલી એક જ છે અને આપણે બધા ફક્ત એક જ રોટલીના સહભાગી થઈએ છીએ, અને આમ આપણે ઘણા હોવા છતાં એક શરીર છીએ. જેઓ જન્મજાત ઇઝરાયલીઓ છે તેમનો વિચાર કરો. ઈશ્વરની સેવા માટે વેદી પર કરેલાં અર્પણમાંથી તેઓ ખાય છે. એ પરથી હું શું કહેવા માગું છું? શું મૂર્તિ કે તેને ચઢાવેલા નૈવેદમાં કંઈ તથ્ય નથી? ના, મારો કહેવાનો અર્થ એ છે કે વિધર્મીઓ વેદી પર જે કંઈ અર્પણ ચઢાવે છે તે ઈશ્વરને નહિ, પણ ભૂતોને ચઢાવે છે અને તમે ભૂતોના સહભાગી બનો એવું હું ઇચ્છતો નથી. તમે પ્રભુના પ્યાલામાંથી અને ભૂતોના પ્યાલામાંથી એમ બન્‍નેમાંથી પી શકો નહિ. તેમ જ તમે પ્રભુની મેજ પરથી અને ભૂતોની મેજ પરથી એમ બન્‍ને પરથી ખાઈ શકો નહિ. અથવા શું આપણે પ્રભુને ગુસ્સે કરવા માગીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ? “આપણને બધું જ કરવાની પરવાનગી છે,” એમ તેઓ કહે છે. હા, પણ બધું જ ઉપયોગી નથી. “આપણને બધું કરવાની પરવાનગી છે,” પણ બધું લાભદાયી નથી. દરેકે માત્ર પોતાનું જ નહિ, પણ બીજાનું હિત પણ જોવું જોઈએ. માંસબજારમાં જે કંઈ વેચવામાં આવે છે તેને વિવેકબુદ્ધિ ખાતર કંઈ પ્રશ્ર્ન પૂછયા વગર તમે ખાઈ શકો છો. કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.” જો કોઈ અવિશ્વાસી તમને ભોજનને માટે આમંત્રણ આપે અને તે આમંત્રણ તમે સ્વીકારો તો તમને જે કંઈ પીરસવામાં આવે તે તમારી વિવેકબુદ્ધિને ખાતર કંઈપણ પ્રશ્ર્ન પૂછયા વગર ખાઓ. પણ જો કોઈ તમને કહે કે, “આ તો મૂર્તિને ચડાવેલું નૈવેદ છે,” તો પછી જેણે તમને કહ્યું તેની ખાતર, તેમ જ તમારી નહિ, પણ સામા માણસની વિવેકબુદ્ધિની ખાતર તે ખાશો નહિ. કોઈને પ્રશ્ર્ન થાય: “બીજા માણસની વિવેકબુદ્ધિ માટે મારા વર્તનની સ્વતંત્રતાને શા માટે મર્યાદિત કરવામાં આવે છે? *** જો હું ઈશ્વરનો આભાર માનીને ખોરાક ખાતો હોઉં, તો પછી જે ખોરાક માટે મેં આભાર માન્યો તે વિષે બીજું કોઈ શા માટે મારી ટીકા કરે?” અલબત્ત, તમે ખાઓ, પીઓ કે બીજું જે કંઈ કરો તે બધું ઈશ્વરના મહિમાને માટે કરો. તમારું જીવન એવું રાખો કે યહૂદીઓ, બિનયહૂદીઓ કે ઈશ્વરની મંડળીને કંઈ નુક્સાન ન થાય. તમે મારું અનુકરણ કરો. હું મારાં સર્વ કાર્યથી બધાને પ્રસન્‍ન કરવા માગું છું. હું મારા સ્વાર્થનો વિચાર કરતો નથી, પણ સૌનું ભલું કરું છું; જેથી સૌનો ઉદ્ધાર થાય. જેમ હું ખ્રિસ્તનું અનુકરણ કરું છું તેમ તમે મારું અનુકરણ કરો. તમે મને હંમેશા યાદ કરો છો અને જે પ્રણાલિકાઓ મેં તમને સોંપી છે તેને તમે ચુસ્તપણે અનુસરો છો માટે હું તમારી પ્રશંસા કરું છું. હું તે માટે તમારો આભાર માનું છું, પણ આટલું સમજી લો: ખ્રિસ્ત સર્વ માણસોના અધિપતિ છે; પતિ તેની પત્નીનો અધિપતિ છે; અને ઈશ્વર ખ્રિસ્તના પણ અધિપતિ છે. આથી જો કોઈ પુરુષ જાહેર ભક્તિસભામાં પ્રાર્થના કરતી વખતે અથવા ઈશ્વરનો સંદેશો આપતી વખતે પોતાનું માથું ઢાંકેલું રાખે તો તે ખ્રિસ્તનું અપમાન કરે છે. વળી, જો કોઈ સ્ત્રી જાહેર ભક્તિસભામાં પ્રાર્થના કરતી વખતે અથવા ઈશ્વરનો સંદેશો આપતી વખતે પોતાનું માથું ન ઢાંકે, તો તે તેના પતિનું અપમાન કરે છે. તે સ્ત્રીમાં અને જે સ્ત્રીનું માથું મૂંડાવેલું હોય તેનામાં કંઈ ફરક નથી. જો સ્ત્રી પોતાનું માથું ઢાંકે નહિ, તો તેણે પોતાના વાળ પણ કાપી નાખવા જોઈએ. પણ સ્ત્રી પોતાનું માથું મૂંડાવે કે વાળ કપાવે તે શરમજનક બાબત છે; તેથી સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું. પુરુષે પોતાનું માથું ઢાંકવાની કોઈ જરૂર નથી. કારણ, તે ઈશ્વરના સ્વરૂપ અને મહિમાનું પ્રતિબિંબ છે. પણ સ્ત્રી તો પુરુષનો મહિમા પ્રગટ કરે છે. કારણ, પુરુષનું સર્જન સ્ત્રીમાંથી કરવામાં આવ્યું ન હતું; પણ પુરુષમાંથી સ્ત્રી બનાવવામાં આવી હતી. પુરુષ સ્ત્રીને માટે સર્જવામાં આવ્યો ન હતો, પણ સ્ત્રી પુરુષને માટે સર્જવામાં આવી હતી. દૂતોને લીધે પણ સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું જોઈએ. કારણ, તેમ કરવાથી તે પતિના આધિપત્ય નીચે છે, એવું જાહેર થાય છે. પ્રભુમાં આપણું જે જીવન છે તેમાં સ્ત્રી પુરુષથી સ્વતંત્ર નથી અને પુરુષ સ્ત્રીથી સ્વતંત્ર નથી. કારણ, પુરુષમાંથી સ્ત્રીને બનાવવામાં આવી હતી, તો પુરુષ પણ સ્ત્રીથી જન્મ લે છે. જોકે સર્વ વસ્તુઓ તો ઈશ્વર પાસેથી જ આવી છે. તમે પોતે જ નક્કી કરો. જાહેર ભક્તિસભામાં સ્ત્રી માથું ઢાંક્યા વગર ઈશ્વરને પ્રાર્થના કરે તે શોભતું છે? કુદરત પોતે પણ શીખવે છે કે લાંબા વાળ પુરુષને માટે શરમજનક છે. છતાં સ્ત્રીને માટે તો તે શોભારૂપ છે. લાંબા વાળ સ્ત્રીને માથું ઢાંકવા માટે આપવામાં આવ્યા છે. જો કોઈ આ વિષે વધુ દલીલ કરવા માગે તો મારે કહેવું પડશે કે અમારી મયે કે ઈશ્વરની મંડળીઓમાં એવો રિવાજ નથી. હવે પછી જે સૂચનાઓ હું આપવાનો છું તેમાં હું તમારી પ્રશંસા કરી શક્તો નથી. કારણ, તમારી સંગતસભાઓ ઉન્‍નતિ કરવાને બદલે વધુ નુક્સાન કરે છે. પ્રથમ તો મારા જાણવામાં આવ્યું છે કે, મંડળીની સભાઓમાં પક્ષાપક્ષી છે. તેમાં થોડુંઘણું ખરું પણ છે એમ હું માનું છું. તમારામાં જેઓ સાચા છે તેઓ જાહેર થાય તે માટે તમારામાં પક્ષ પડવાની જરૂર છે. જ્યારે તમે સંગતમાં એકત્ર થાઓ છો, ત્યારે પ્રભુભોજન કરવું અશક્ય થઈ પડે છે. કારણ, જમતી વખતે દરેક પોતપોતાનું ભોજન કરી લે છે. આથી કેટલાક ભૂખ્યા રહે છે, જ્યારે બીજા કેટલાક પીને મસ્ત બને છે. શું ખાવાપીવા માટે તમારે પોતાનાં ઘર નથી? કે પછી તમે ઈશ્વરની મંડળીને ધિક્કારો છો અને તંગી વેઠતા લોકોને શરમમાં નાખવા માગો છો? આ વિષે તમે મારી પાસે શી અપેક્ષા રાખો છો? હું શું કહું? અલબત્ત, આ બાબતમાં હું તમારી પ્રશંસા કરી શકું તેમ નથી. કારણ, પ્રભુ પાસેથી પરંપરાગત પ્રાપ્ત થયેલી વાત મેં તમને ય પહોંચાડી છે; એટલે કે, પ્રભુ ઈસુની ધરપકડ થઈ તે રાત્રે તેમણે રોટલી લીધી, અને ઈશ્વરની આભારસ્તુતિ કરીને ભાંગતાં કહ્યું, “આ મારું શરીર છે જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે; મારી યાદગીરીને માટે એ કરો.” એ જ રીતે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, “આ પ્યાલો મારા રક્તથી મંજૂર કરાયેલો ઈશ્વરનો નવો કરાર છે. જ્યારે જ્યારે તમે તેમાંથી પીઓ, ત્યારે ત્યારે મારી યાદગીરીને માટે એ કરો. કારણ, જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલામાંથી પીઓ છો તેટલી વાર પ્રભુના આગમન સુધી તમે તેમનું મરણ પ્રગટ કરો છો. તેથી જો કોઈ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાય અથવા તેમના પ્યાલામાંથી પીએ, તો તેમ કરનાર વ્યક્તિ પ્રભુના શરીર અને રક્ત સંબંધી દોષિત ઠરે છે. આથી રોટલી ખાતાં પહેલાં તેમ જ પ્યાલામાંથી પીતાં પહેલાં દરેકે આત્મપરીક્ષા કરવી જોઈએ. કારણ, પ્રભુના શરીરનો મર્મ સમજ્યા વગર જો કોઈ આ રોટલી ખાય અને પ્યાલામાંથી પીએ તો તે ખાવાથી અને પીવાથી પોતાને સજાપાત્ર ઠરાવે છે. આથી જ તમારામાંના કેટલાક બીમાર અને નિર્બળ છે અને કેટલાક તો મરી ગયા છે. જો આપણે પ્રથમ આત્મપરીક્ષા કરીએ, તો આપણે ઈશ્વરના ન્યાયશાસન નીચે આવતા નથી; પણ જયારે પ્રભુ આપણો ન્યાય કરે છે ત્યારે તે આપણને શિક્ષા કરે છે, જેથી દુનિયાની સાથે આપણને સજાપાત્ર ઠરાવવામાં ન આવે. આથી મારા ભાઈઓ, જ્યારે તમે પ્રભુભોજન માટે એકત્ર થાઓ, ત્યારે એકબીજાની રાહ જુઓ. જો કોઈ ભૂખ્યો હોય તો તેણે પોતાને ઘેર ખાવું; જેથી તમે એકત્ર થાઓ ત્યારે પોતાને ઈશ્વરના ન્યાયશાસન નીચે લાવો નહિ. બીજી બાબતોનો નિકાલ હું તમારી મુલાકાત લઈશ ત્યારે કરીશ. મારા ભાઈઓ, પવિત્ર આત્મા દ્વારા મળતી બક્ષિસો વિષે તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી. તમે જાણો છો કે તમે જ્યારે વિધર્મી હતા, ત્યારે નિર્જીવ મૂર્તિઓ તમને કાબૂમાં રાખતી હતી અને તમને આડે માર્ગે દોરી જતી હતી. જે કોઈ ઈશ્વરના આત્માથી દોરાય છે તે “ઈસુ શાપિત થાઓ,” એવું કહી શક્તો જ નથી. તેમ જ પવિત્ર આત્માની દોરવણી વિના “ઈસુ પ્રભુ છે,” એવી કબૂલાત પણ કોઈ કરી શકતું નથી. હવે આત્મિક બક્ષિસો વિવિધ પ્રકારની છે. પણ એ સર્વ આપનાર પવિત્ર આત્મા તો એનો એ જ છે. સેવા કરવાની રીતો જુદી જુદી હોય છે, પણ સેવા તો એક જ પ્રભુની થાય છે. કાર્ય કરવાની આવડત જુદી જુદી હોય છે, પણ એ જ ઈશ્વર દરેકને કાર્ય કરવા માટે આવડત આપે છે. સૌનું ભલું થાય માટે દરેક બાબતમાં કોઈને કોઈ રીતે આત્માની દોરવણી મળે છે. પવિત્ર આત્મા કોઈને વિદ્યાનો, તો કોઈને જ્ઞાનનો સંદેશો આપે છે. એનો એ જ આત્મા કોઈને વિશ્વાસનું, અને કોઈને સાજા કરવાનું સામર્થ્ય આપે છે. આત્મા કોઈને ચમત્કાર કરવાનું સામર્થ્ય આપે છે, તો કોઈને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ આપે છે; તો વળી કોઈને આત્મા પારખવાની શક્તિ આપે છે. તે જ આત્મા અન્ય ભાષાઓ બોલવાનું સામર્થ્ય આપે છે, અને તે ભાષાનું અર્થઘટન કરવાની શક્તિ આપે છે. પણ આ સર્વ બાબતો એ જ પવિત્ર આત્મા કરે છે. તે પોતાની ઇચ્છા પ્રમાણે દરેકને જુદી જુદી બક્ષિસો આપે છે. ખ્રિસ્ત તો અનેક અવયવવાળા એક શરીર સમાન છે. અનેક અવયવનું બનેલું હોવા છતાં શરીર તો એક જ છે. તે જ પ્રમાણે યહૂદીઓ કે બિનયહૂદીઓ, ગુલામ કે સ્વતંત્ર - આપણે સૌ એ જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર બન્યા છીએ, અને આપણ સૌને એક જ આત્મા પીવડાવવામાં આવ્યો છે. શરીર એક જ અવયવનું નહિ, પણ અનેક અવયવનું બનેલું છે. જો પગ કહે, “હું હાથ નથી, તેથી હું શરીરનો અવયવ નથી;” તો તેથી તે શરીરનો અવયવ મટી જતો નથી. જો કાન કહે, “હું આંખ નથી, તેથી હું શરીરનો અવયવ નથી,” તો તેથી તે શરીરનો ભાગ મટી જતો નથી. જો આખું શરીર માત્ર આંખ જ હોત, તો પછી તે કેવી રીતે સાંભળત? વળી જો આખું શરીર માત્ર કાન જ હોત, તો તે કેવી રીતે સૂંઘત? પણ શરીરના જુદા જુદા અવયવોને ઈશ્વરે પોતાની ઇચ્છા પ્રમાણે ગોઠવેલા છે. જો આખું શરીર એક જ અવયવ હોત, તો શરીર હોત જ નહિ. પણ શરીર એક છે અને અવયવો અનેક છે. આમ, આંખ કાનને કહી શક્તી નથી કે, “મને તારી જરૂર નથી,” અથવા માથું પગને કહી શકતું નથી કે, “મને તારી જરૂર નથી.” વળી, શરીરના કેટલાક નાજુક અવયવો સિવાય તો આપણે ચલાવી શક્તા જ નથી. અને જે અવયવો વિષે આપણને એમ લાગે છે કે તેઓ ખાસ ઉપયોગી નથી, તેમની જ આપણે વધુ કાળજી રાખીએ છીએ. શરીરના જે અવયવો સુંદર દેખાય છે તેનાં કરતાં જે અવયવો સુંદર દેખાતા નથી તેમના પ્રત્યે આપણે ખાસ ધ્યાન આપીએ છીએ. ઈશ્વરે શરીરની રચના જ એવી કરી છે કે જેથી નાજુક અવયવો પ્રત્યે વધુ લક્ષ અપાય છે. આમ શરીરમાં પક્ષાપક્ષી નથી, પણ શરીરના જુદા જુદા અવયવોને એકબીજા પ્રત્યે સરખી સહાનુભૂતિ હોય છે. જો શરીરના એક અવયવને નુક્સાન થાય, તો તેની સાથે બીજા બધા અવયવોને દુ:ખ થાય છે. જો શરીરના એક અવયવની પ્રશંસા થાય, તો તેનો સુખાનુભવ બધા અવયવો કરે છે. આમ, તમે સૌ ખ્રિસ્તનું શરીર છો અને તમે દરેક એક એક અવયવ છો. ઈશ્વરે બધાને મંડળીમાં જુદા જુદા સ્થાને મૂકેલા છે: પ્રથમ પ્રેષિતો, બીજી હરોળમાં સંદેશવાહકો, ત્રીજી હરોળમાં શિક્ષકો, ત્યાર પછી ચમત્કાર કરનારાઓ, પછી સાજા કરનારાઓ, મદદનીશો, વહીવટર્ક્તાઓ અને અન્ય ભાષાઓ બોલનારાઓ. શું બધા પ્રેષિતો છે? શું બધા સંદેશવાહકો છે? શું બધા શિક્ષકો છે? શું બધા ચમત્કાર કરે છે? શું બધા માંદાને સાજા કરે છે? શું બધા અન્ય ભાષા બોલે છે? શું બધા અર્થઘટન કરનારા છે? તેથી તમારે સૌથી શ્રેષ્ઠ બક્ષિસો મેળવવાની ઝંખના રાખવી જોઈએ; પણ હવે હું તમને સર્વોત્તમ માર્ગ બતાવું છું. જો કે હું માણસોની અને દૂતોની ભાષામાં બોલું, પણ મારામાં પ્રેમ ન હોય, તો પછી મારી બોલી ખાલી બડબડાટ કરનાર જેવી એટલે કે રણકાર કરનાર ઘંટ અને ઘોંઘાટ કરનાર થાળી જેવી છે. જો મારી પાસે ઈશ્વરપ્રેરિત સંદેશ આપવાની બક્ષિસ હોય, સર્વ જ્ઞાન અને સર્વ રહસ્યો સમજવાની શક્તિ હોય, પર્વતોને ખસેડી નાખવા જેટલો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો પછી હું કંઈ જ નથી. હું મારું સર્વસ્વ દાનમાં આપી દઉં અને હું મારું શરીર આગમાં અર્પી દઉં, પણ મારામાં પ્રેમ ન હોય તો એ બધું નિરર્થક છે. પ્રેમ ધીરજવાન અને માયાળુ છે, પ્રેમ ઈર્ષાળુ, બડાઈખોર કે અભિમાની નથી. પ્રેમ ઉદ્ધત કે સ્વાર્થી નથી. પ્રેમ ખીજાતો નથી, કે કોઈએ ખોટું કર્યું હોય તો પ્રેમ તેની નોંધ રાખતો નથી. કોઈનું ભૂંડું થતું હોય તો તેમાં નહિ, પણ કોઈનું સારું થતું હોય તો તેમાં પ્રેમને આનંદ થાય છે. પ્રેમ અંત સુધી સહન કરે છે. પ્રેમ બધા પર વિશ્વાસ રાખે છે; બધાની આશા રાખે છે; બધા માટે ધીરજ રાખે છે. પ્રેમ સનાતન છે. આગાહી કરવાનું દાન હોય તો તે કાયમ રહેવાનું નથી. અન્ય ભાષાઓમાં બોલવાની બક્ષિસ હોય, તો તે ધીમે ધીમે અટકી જશે. જ્ઞાન હોય, તો તે ચાલ્યું જશે. કારણ, આપણું જ્ઞાન અને ભવિષ્ય ભાખવાની આપણી બક્ષિસો અપૂર્ણ છે. પણ જ્યારે સંપૂર્ણતા આવશે, ત્યારે અપૂર્ણતા જતી રહેશે. જ્યારે હું બાળક હતો, ત્યારે મારી બોલી, લાગણીઓ અને વિચારો બાળકના જેવાં જ હતા. પણ હવે હું પુખ્ત વયનો થયો છું. અને એ બાળપણના માર્ગો મેં મૂકી દીધા છે. અત્યારે તો આપણે અરીસામાં ઝાંખું પ્રતિબિંબ જોઈએ છીએ, પણ પછીથી નજરોનજર જોઈશું. મારું હાલનું જ્ઞાન અપૂર્ણ છે. પણ જેમ ઈશ્વરને મારા વિષે પૂર્ણ જ્ઞાન છે, તેમ મારું જ્ઞાન પણ સંપૂર્ણ થશે. હવે, વિશ્વાસ, આશા અને પ્રેમ આ ત્રણે ટકી રહે છે, પણ એમાંથી પ્રેમ સર્વશ્રેષ્ઠ છે. આથી પ્રેમની ઝંખના સેવો. આત્મિક બક્ષિસો પર અને ખાસ કરીને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ પર તમારું મન લગાડો. અન્ય ભાષાઓમાં બોલનાર વ્યક્તિ માણસોની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે વાત કરે છે; કારણ, કોઈ તેની ભાષા સમજી શકતું નથી. તેવી વ્યક્તિ પવિત્ર આત્માના સામર્થ્યથી માર્મિક સત્યો વિષે બોલે છે. પણ ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર વ્યક્તિ માણસોની સાથે વાત કરે છે, અને તેમને મદદ, પ્રોત્સાહન તથા દિલાસો આપે છે. અન્ય ભાષાઓમાં બોલનાર વ્યક્તિ માત્ર પોતાની જ ઉન્‍નતિ કરે છે, પણ ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર વ્યક્તિ તો સમગ્ર મંડળીની ઉન્‍નતિ કરે છે. તમ સૌ અન્ય ભાષાઓ બોલતા થાઓ એવું હું ઇચ્છું છું તો ખરો, પણ વિશેષે કરીને સૌને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ મળે એમ હું ઇચ્છું છું. કારણ, સમગ્ર મંડળીની ઉન્‍નતિ માટે અન્ય ભાષાઓનું ભાષાન્તર કરનાર કોઈ ન હોય તો ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનારનું મૂલ્ય અન્ય ભાષાઓ બોલનારના કરતાં વિશેષ છે. ભાઈઓ, જો હું તમારી મુલાકાત લઉં અને અન્ય ભાષાઓમાં બોલું તો તેથી તમને શો ફાયદો થાય? કશો જ નહિ, માત્ર હું ઈશ્વર તરફથી કંઈક પ્રગટીકરણ, જ્ઞાન, ઈશ્વરપ્રેરિત સંદેશો કે શિક્ષણ લાવું તો જ ફાયદો થાય. જો સંગીતનાં બધાં સાધનોનો એક સરખો સૂર વાગે તો પછી વાંસળી વાગે છે કે વીણા વાગે છે એની કોઈને કેવી રીતે ખબર પડે? વળી, રણશિંગડું વગાડનાર સ્પષ્ટ રીતે વગાડે નહિ તો લડાઈને માટે કોણ સજ્જ થાય? તે જ પ્રમાણે અન્ય ભાષાઓમાં તમારો સંદેશો પ્રગટ કરવામાં આવે અને તે સ્પષ્ટ ન હોય, તો તે કોણ સમજી શકે? તમારા શબ્દો હવામાં ઊડી જશે! દુનિયામાં જુદી જુદી ઘણી ભાષાઓ છે, પણ તેમાંની એકપણ અર્થ વગરની નથી. પણ હું જાણતો ન હોઉં એવી ભાષામાં કોઈ બોલે તો મારે મન તે પરદેશી છે અને તેને મન હું પરદેશી છું. તમે પવિત્ર આત્માની બક્ષિસો મેળવવા આતુર છો, તો મંડળીની ઉન્‍નતિ કરે તેવી બક્ષિસોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનો યત્ન કરો. અન્ય ભાષામાં બોલનારે તેના અર્થઘટનની બક્ષિસ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. કારણ, જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા ખરેખર પ્રાર્થના કરે છે ખરો, પણ મારું મન તેમાં કંઈ જ ભાગ લઈ શકતું નથી. તો પછી મારે શું કરવું? એ જ કે હું મારા આત્માથી અને મનથી પણ પ્રાર્થના કરીશ; તેમજ મારા આત્માથી અને મનથી ગાઈશ. જો તમે ફક્ત આત્મામાં ઈશ્વરનો આભાર માનો, તો પછી ભક્તિસભામાં ભાગ લઈ રહેલ સામાન્ય માણસ તમારી આભાર દર્શાવતી પ્રાર્થનામાં “આમીન” શી રીતે કહી શકશે? કારણ, તમે જે કહી રહ્યા છો તે તો એ સમજી શક્તો નથી. જો કે ઈશ્વરનો આભાર માનવા અંગેની તમારી પ્રાર્થના ઘણી સારી હોય, તો પણ તેથી બીજા માણસને કશો ફાયદો થતો નથી. હું ઈશ્વરનો આભાર માનું છું કે તમારા બધા કરતાં હું અન્ય ભાષાઓમાં વધારે બોલું છું. પણ મંડળીની ભક્તિસભામાં બીજાઓને શીખવવા માટે અન્ય ભાષાઓમાં હજારો શબ્દો બોલવા કરતાં સમજી શકાય તેવી ભાષામાં પાંચ શબ્દોમાં બોલવાનું હું વધારે પસંદ કરીશ. ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતા સંબંધી બાળક થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ. ધર્મશાસ્ત્રમાં લખેલું છું; “પ્રભુ કહે છે કે, આ લોક સાથે હું અન્ય ભાષાઓ બોલનાર માણસો મારફતે બોલીશ. વળી, પરદેશીઓના હોઠો દ્વારા પણ બોલીશ, છતાં તેઓ મારું સાંભળશે નહિ.” આથી અન્ય ભાષાઓમાં બોલવાની બક્ષિસ તો વિશ્વાસીઓને માટે નહિ, પણ અવિશ્વાસીઓને માટે પુરાવારૂપ છે. જ્યારે ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ અવિશ્વાસીઓને માટે નહિ, પણ વિશ્વાસીઓને માટે પુરાવારૂપ છે. આમ, જો સમગ્ર મંડળી એકત્ર થાય અને દરેક અન્ય ભાષાઓમાં બોલવાની શરૂઆત કરે અને સામાન્ય લોકો કે અવિશ્વાસીઓ તેમાં આવે, તો શું તેઓ એમ નહિ કહે કે, આ બધા તો પાગલ છે! પણ જો બધા ઈશ્વરનો સંદેશો પ્રગટ કરે અને કોઈ અવિશ્વાસી કે સામાન્ય વ્યક્તિ આવે, તો તે સાંભળવાથી તેને પોતાનાં પાપનું ભાન થશે. તે જે સાંભળશે તેથી તેનો ન્યાય થશે. તેના ગુપ્ત વિચારો જાહેર થશે, અને તે નમન કરીને ઈશ્વરનું ભજન કરશે. વળી, “ખરેખર, ઈશ્વર તમારી મયે હાજર છે.” એવી કબૂલાત કરશે. મારા ભાઈઓ, તો મારા કહેવાનો શો અર્થ છે? જ્યારે તમે ભક્તિસભામાં એકત્ર થાઓ, ત્યારે કોઈ ગીત ગાય, કોઈ શિક્ષણ આપે, કોઈ ઈશ્વર તરફથી મળેલું પ્રગટીકરણ જણાવે, કોઈ અન્ય ભાષાઓમાં સંદેશો આપે અને કોઈ તેનું અર્થઘટન કરે. આમ, બધું મંડળીની ઉન્‍નતિને માટે થવું જોઈએ. અન્ય ભાષાઓમાં બોલનારાઓમાંથી બે કે ત્રણ વ્યક્તિઓએ વારાફરતી બોલવું અને કોઈએ તેનું અર્થઘટન કરવું જોઈએ. જો અર્થઘટન કરનાર કોઈ ન હોય, તો અન્ય ભાષાઓમાં બોલનારે શાંત રહેવું અને પોતાના મનમાં તેણે ઈશ્વરની સાથે વાત કરવી. જેમને ઈશ્વરનો સંદેશો મળેલો છે તેમનામાંથી બે અથવા ત્રણ બોલે, બીજાઓએ તેની પારખ કરવી. પણ સભામાં બેઠેલામાંથી બીજા કોઈને ઈશ્વર તરફથી સંદેશ મળે તો બોલનારે થોભી જવું. તમે બધા ઈશ્વરનો સંદેશો વારાફરતી પ્રગટ કરો; જેથી બધાને શિક્ષણ અને પ્રોત્સાહન મળે. ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ બોલનારના કાબૂમાં રહેવી જોઈએ. કારણ, આપણો ઈશ્વર અવ્યવસ્થાનો નહિ, પણ શાંતિનો ઈશ્વર છે. સંતોની બધી મંડળીઓમાં ચાલે છે તેમ તમારી મંડળીની સભાઓમાં સ્ત્રીઓએ શાંત રહેવું; તેમને બોલવાની પરવાનગી નથી. યહૂદી નિયમ પ્રમાણે તેમણે પોતાની મર્યાદામાં રહેવું. જો કોઈ બાબત વિષે તેમણે જાણવું હોય, તો ઘેર પોતાના પતિને પૂછવું. મંડળીની સભામાં સ્ત્રી બોલે તે શોભતું નથી. શું ઈશ્વરનો સંદેશ તમારી મારફતે આવ્યો? અથવા શું ફક્ત તે તમારી પાસે જ આવ્યો? જો કોઈ ધારે કે પોતે ઈશ્વરનો સંદેશવાહક છે અથવા તેની પાસે આત્મિક બક્ષિસ છે તો તેણે જાણવું જોઈએ કે હું જે લખું છું તે પ્રભુની આજ્ઞા છે. પણ જો આ વાત પ્રત્યે તે ધ્યાન ન આપે, તો તેના પ્રત્યે તમે પણ ધ્યાન ન આપો. આથી મારા ભાઈઓ, તમારું મન ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવામાં લગાડો; પણ અન્ય ભાષાઓમાં બોલવાની મના ન કરો. પણ બધું શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ. ભાઈઓ, જે શુભસંદેશ મેં તમને પ્રગટ કર્યો, જેનો તમે સ્વીકાર કર્યો તથા જેના પર તમારો દૃઢ વિશ્વાસ છે, તેની હું તમને યાદ અપાવવા માગું છું. જે સ્વરુપમાં મેં તમને શુભસંદેશ જણાવ્યો તે જ સ્વરૂપમાં તમે તેને દૃઢતાથી વળગી રહો તો જ તમારો ઉદ્ધાર થાય; નહિ તો તમારો વિશ્વાસ નિરર્થક છે. મને પરંપરાથી પ્રાપ્ત થયેલો અને જે મેં તમને પણ જણાવ્યો એ સંદેશ સૌથી મહત્ત્વનો છે: ધર્મશાસ્ત્રમાં લખેલું છે તે જ મુજબ ખ્રિસ્ત આપણાં પાપને માટે મરણ પામ્યા, તેમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તે સજીવન થયા. તેમણે પિતરને દર્શન દીધું. ત્યાર પછી બાર પ્રેષિતોને દર્શન દીધું. એ પછી તેમના પાંચસો કરતાં વધારે અનુયાયીઓને એકીસાથે દર્શન દીધું. તેમનામાંના ઘણા હજી જીવંત છે; તો કેટલાક મૃત્યુ પામ્યા છે. ત્યાર પછી તેમણે યાકોબને દર્શન દીધું. હું જાણે અકાળે જન્મ્યો હોઉં તેમ છેવટે મને પણ તેમનું દર્શન થયું. સાચે જ હું તો પ્રેષિતોમાં સૌથી નાનામાં નાનો છું. હું પ્રેષિત કહેવડાવવાને લાયક પણ નથી. કારણ, મેં ઈશ્વરની મંડળીની સતાવણી કરી હતી. પણ હું જે કંઈ છું તે ઈશ્વરની કૃપાથી છું, અને તેમણે મારા પર કરેલી કૃપા નિરર્થક ગઈ નથી. એનાથી તો બીજા બધા પ્રેષિતો કરતાં મેં સખત પરિશ્રમ કર્યો છે. જોકે હકીક્તમાં તો એ ક્મ મેં નથી કર્યું, પણ મારી સાથે કાર્ય કરનાર ઈશ્વરની કૃપાથી એ બન્યું છે. આથી શુભસંદેશ મારી મારફતે આવ્યો હોય કે તેમની મારફતે, પણ અમે બધા આ જ ઉપદેશ કરીએ છીએ, અને તમે તેના પર વિશ્વાસ કરેલો છે. ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે, એ અમારો સંદેશો છે. તો પછી તમારામાંના કેટલાક એવું કેમ કહે છે કે મૂએલાં સજીવન થનાર નથી? જો એ સાચું હોય, તો એનો અર્થ એ થયો કે ખ્રિસ્ત સજીવન થયા નથી; અને જો ખ્રિસ્ત સજીવન થયા જ નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે. વળી, અમે ઈશ્વરની વિરુદ્ધ અસત્ય બોલનારા જાહેર થયેલા પણ ગણાઈએ; કારણ, અમે એવું કહ્યું છે કે ઈશ્વરે ખ્રિસ્તને મરણમાંથી સજીવન કર્યા છે. જો મૂએલાં સજીવન થવાના નથી એ સાચું હોય તો પછી ઈશ્વરે ખ્રિસ્તને સજીવન કર્યા નથી. જો મૂએલાં સજીવન થતા નથી, તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી. જો ખ્રિસ્ત સજીવન થયા નથી, તો પછી તમારો વિશ્વાસ નિરર્થક છે અને તમે હજી તમારાં પાપમાં ખોવાયેલા છો. એનો અર્થ એ પણ થાય કે જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા પછી મરણ પામ્યા છે, તેઓ પણ નાશ પામ્યા છે. આપણે ખ્રિસ્ત પર જે આશા રાખી છે તે ફક્ત આ જીવન પૂરતી જ હોય, અને તે પછી કંઈ જ આશા ન હોય, તો પછી દુનિયાના સર્વ લોક કરતાં આપણી સ્થિતિ વધુ દયાજનક છે. પણ સત્ય હકીક્ત એ છે કે ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે, અને એ તો મરણમાં ઊંઘી જનારા સજીવન થશે એની ખાતરી છે. જેમ એક માણસ દ્વારા લોકો મરણ પામે છે તેમ એક માણસ દ્વારા જીવન મળે છે. કારણ, જેમ સર્વ માણસો આદમની સાથેના સંબંધને લીધે મરણ પામ્યા તેમ જ તેઓ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે સજીવન થશે; પણ દરેક પોતાના ઉચિત ક્રમ પ્રમાણે: સૌથી પ્રથમ ખ્રિસ્ત, પછી ખ્રિસ્તના આગમન વખતે સજીવન થનાર તેમના લોકો. ત્યાર પછી અંત આવશે, અને ખ્રિસ્ત સર્વ આધિપત્ય, અધિકાર અને સત્તા પર વિજય મેળવશે અને ઈશ્વરપિતાને રાજ સોંપી દેશે. કારણ, ઈશ્વર તેમના સર્વ શત્રુઓને હરાવીને ખ્રિસ્તના પગ નીચે લાવે, ત્યાં સુધી ખ્રિસ્તે રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વરે સર્વ બાબતો તેમના પગ નીચે મૂકી છે.” આમ, સર્વ બાબતોને ખ્રિસ્તના નિયંત્રણ હેઠળ લાવનાર ઈશ્વરનો સમાવેશ એ “સર્વ બાબતો” થતો નથી એ સ્પષ્ટ છે. પણ જ્યારે સર્વ બાબતોને ખ્રિસ્તના રાજયાધિકાર નીચે લાવવામાં આવશે, ત્યારે સર્વ બાબતોને આધીનતામાં લાવનાર પુત્ર પોતે પણ ઈશ્વરને આધીન થઈ જશે. પછી ઈશ્વર સર્વ પર સંપૂર્ણ રાજ કરશે. તો હવે મૂએલાંને બદલે જેઓ બાપ્તિસ્મા પામ્યાં છે તેમનું શું? તેઓ શું મેળવવાની આશા રાખે છે? મૂએલાં સજીવન થવાનાં નથી એવો તેમનો દાવો સાચો હોય, તો પછી તેઓ મૂએલાંને બદલે શા માટે બાપ્તિસ્મા પામે છે? વળી, અમારા સંબંધી કહું તો, અમે શા માટે હરહંમેશ જોખમ ખેડીએ છીએ? ભાઈઓ, આપણે માટે ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં હું જે ગર્વ ધરાવું છું તેને લીધે હું દરરોજ મરણને ભેટું છું! અહીં એફેસસમાં મેં “જંગલી પશુઓ” સાથે યુદ્ધ કર્યું છે! દુન્યવી ધોરણો મુજબ મને એનાથી શો લાભ થવાનો છે? જો મૂએલાં સજીવન થતાં જ નથી, તો કહેવતમાં કહ્યું છે તેમ, “ચાલો, આપણે ખાઈએ અને પીએ; કારણ, આવતી કાલે તો મરી જવાના છીએ.” છેતરાશો નહિ! દુષ્ટ સોબત સારા ચારિયને બગાડે છે. માટે જાગૃત થાઓ અને તમારા પાપી માર્ગોને ત્યજી દો. તમારામાંના કેટલાક તો ઈશ્વરને જાણતા નથી! એ કેવી શરમજનક બાબત છે? પણ કોઈ પૂછશે, “મૂએલાં કેવી રીતે સજીવન થશે? તેમનાં શરીર કેવા પ્રકારનાં હશે?” હે મૂર્ખ, જો તું જમીનમાં બીજ વાવે અને તે મરે નહિ, તો તેમાંથી જીવન કેવી રીતે ઉદ્ભવે? તું જે વાવે છે, અને જેની પાછળથી વૃદ્ધિ થાય છે - પછી તે ઘઉંનો દાણો હોય કે બીજા કશાનો - તે તો માત્ર બીજ જ છે, સંપૂર્ણ વિકસિત છોડ નહિ. ઈશ્વર પોતાની ઇચ્છા મુજબ દરેક બીજને દળ આપે છે. તે દરેક બીજને તેનું ઘટતું સ્વરૂપ આપે છે. જીવંત પ્રાણીઓનાં શરીર એક્સરખાં હોતાં નથી. માનવીનું શરીર એક પ્રકારનું, પ્રાણીઓનું શરીર બીજા પ્રકારનું, તો વળી માછલીઓનું શરીર તેથી પણ જુદા જ પ્રકારનું હોય છે. આકાશી પદાર્થો અને પૃથ્વીના પદાર્થોનું પણ એવું જ છે. આકાશી પદાર્થો અને પૃથ્વીના પદાર્થોનું ગૌરવ જુદું હોય છે. સૂર્યને તેનું પોતાનું તેજ છે; ચંદ્રને બીજી જાતનું તેજ છે; આકાશના તારાઓનું તેજ પણ જુદું હોય છે; અને એક તારાથી બીજા તારાનું તેજ પણ જુદું હોય છે. મૂએલાંનું સજીવન થવું એ પણ એવું જ છે: દફનાવવામાં આવતું શરીર વિનાશી હોય છે; પણ તે સજીવન થશે, ત્યારે તે અવિનાશી બનશે. શરીરને દફનાવવામાં આવે છે, ત્યારે તે કદરૂપું અને નબળું હોય છે; પણ તે સજીવન થશે, ત્યારે તે સુંદર અને સબળ બનશે. જ્યારે દફનાવવામાં આવે છે ત્યારે તે ભૌતિક શરીર હોય છે પણ જ્યારે સજીવન થશે, ત્યારે તે આત્મિક શરીર બનશે. જેમ ભૌતિક શરીર છે, તેમ આત્મિક શરીર પણ છે. કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “પ્રથમ માનવી આદમને જીવંત પ્રાણી તરીકે સર્જવામાં આવ્યો હતો,” પણ છેલ્લો આદમ તો જીવન આપનાર આત્મા છે. આત્મિક પ્રથમ આવતું નથી, પણ શારીરિક પ્રથમ આવે છે અને પછી જ આત્મિક છે. પ્રથમ આદમને પૃથ્વીની માટીમાંથી બનાવવામાં આવ્યો હતો, પણ બીજો આદમ આકાશમાંથી આવ્યો. જેઓ પૃથ્વીના છે, તેઓ જેને પૃથ્વીમાંથી બનાવવામાં આવ્યો તેના જેવા છે. જેઓ આકાશના છે, તેઓ જે આકાશમાંથી આવ્યો તેના જેવા છે. જેમ આપણે પૃથ્વીની માટીમાંથી બનાવેલા માનવના જેવા છીએ, તેમ જ આપણે આકાશમાંથી આવેલા માનવ જેવા પણ થઈશું. ભાઈઓ, મારા કહેવાનો અર્થ એ છે કે ભૌતિક શરીર ઈશ્વરના રાજમાં ભાગીદાર બની શકતું નથી; જે વિનાશી છે તે અવિનાશી વારસો ભોગવી શકતું નથી. આ સત્ય જાણી લો કે આપણે સૌ મરી જ જઈશું તેવું નથી. પણ જ્યારે છેલ્લું રણશિંગડું વાગશે ત્યારે એક જ ક્ષણમાં, આંખના પલકારામાં આપણા બધાનું રૂપાંતર થઈ જશે. વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે, અને મર્ત્યને અમરત્વ ધારણ કરવું પડશે. આમ, જ્યારે વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને મર્ત્ય અમરત્વ ધારણ કરશે, ત્યારે ધર્મશાસ્ત્રમાં લખેલું સાચું ઠરશે, “મરણ પર પૂરેપૂરો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે. હે મરણ, તારો વિજય ક્યાં? હે મરણ, તારા ડંખની તાક્ત ક્યાં?” પાપ એ મરણનો ડંખ છે અને તેની તાક્ત નિયમશાસ્ત્રને લીધે છે. માટે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને વિજય અપાવનાર ઈશ્વરનો આભાર માનો. આથી મારા પ્રિય ભાઈઓ, સ્થિર અને દૃઢ થાઓ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો, કારણ, તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી. હવે હું ઈશ્વરના લોકને માટે રાહતફાળો ઉઘરાવવા વિષે જણાવીશ. ગલાતિયા પ્રદેશની મંડળીઓને મેં જે સલાહ આપી છે તે જ પ્રમાણે તમારે કરવું. સપ્તાહને પ્રથમ દિવસે તમારામાંના દરેકે પોતાની આવકના પ્રમાણમાં કેટલીક રકમ અલગ કરીને બચાવવી; જેથી જ્યારે હું આવું ત્યારે તમારે ફાળો ઉઘરાવવો ન પડે. જ્યારે હું આવીશ ત્યારે હું તમારું દાન તમે નક્કી કરેલા માણસોને ઓળખપત્ર આપીને તેમની સાથે યરુશાલેમ મોકલાવી આપીશ. જો મારે જવાની જરૂર જણાશે, તો તેઓ મારી સાથે આવશે. મકદોનિયા ગયા પછી હું તમારી મુલાકાત લઈશ. કારણ, હું મકદોનિયામાં થઈને પસાર થવાનો છું. બનતાં સુધી હું તમારી સાથે થોડો સમય, કદાચ આખો શિયાળો ગાળીશ. પછી આગળની મુસાફરી ચાલુ રાખવામાં તમે મારી સહાય કરજો. તમારી ઊડતી મુલાકાત લેવાની મારી ઇચ્છા નથી. પ્રભુની ઇચ્છા હોય, તો હું તમારી સાથે થોડો વધુ સમય રોકાવા માગું છું. પચાસમાના પર્વ સુધી હું અહીં એફેસસમાં જ રહીશ. કારણ, ઘણા વિરોધીઓ હોવા છતાં પ્રભુએ અહીં મારે માટે મહાન અને ઉમદા કાર્ય કરવાનું દ્વાર ઉઘાડયું છે. તિમોથી તમારી મુલાકાતે આવે ત્યારે તેનો સારી રીતે આદરસત્કાર કરજો. કારણ, મારી માફક તે પણ પ્રભુને માટે કાર્ય કરે છે. કોઈ તેને તુચ્છકારે નહિ, પણ મારી પાસે પાછા આવતાં તેની મુસાફરી સગવડભરી નીવડે તે માટે તેને મદદ કરજો. કારણ, તે પણ ભાઈઓની સાથે પાછો આવે એવી આશા હું રાખું છે. હવે ભાઈ આપોલસ વિષે હું તમને જણાવીશ. બીજા ભાઈઓની સાથે તે પણ તમારી મુલાકાત લે માટે મેં તેને ઘણીવાર પ્રોત્સાહન આપ્યું છે. પણ તે હમણાં તમારી મુલાકાત લેવા માટે સંમત નથી. તેને તક મળશે ત્યારે તે આવશે. જાગૃત રહો, વિશ્વાસમાં દૃઢ રહો. શૌર્ય દાખવો. બળવાન થાઓ. તમારું બધું કાર્ય પ્રેમપૂર્વક કરો. સ્તેફાનસ અને તેના કુટુંબ વિષે તો તમે જાણો છો. ગ્રીસ દેશમાં સૌ પ્રથમ ખ્રિસ્તી થનાર તેઓ જ હતાં અને તેમણે ઈશ્વરના લોકની સેવા કરી છે. મારા ભાઈઓ, તમે એવા સેવકો અને તેમની સાથે પરિશ્રમ કરનાર અન્ય સાથી કાર્યકરોને આધીન રહો એવી મારી વિનંતી છે. સ્તેફાનસ, ફોર્તુનાતસ અને અખાઈક્સની મુલાકાતથી મને આનંદ થયો છે. તેમણે તમારી ગેરહાજરીની ખોટ પૂરી પાડી છે. જેમ તેમણે તમને આનંદિત કર્યા, તેમ મને પણ આનંદિત કર્યો છે. એવા માણસો સન્માનપાત્ર છે. આસિયા પ્રદેશની મંડળીઓ તમને શુભેચ્છા પાઠવે છે. આકુલા, પ્રિસ્કીલા અને તેમના ઘરમાં મળતી મંડળી તમને ખ્રિસ્તી શુભેચ્છા પાઠવે છે. અહીંના સર્વ ભાઈઓ તમને શુભેચ્છા પાઠવે છે. પવિત્ર ચુંબન કરીને એકબીજાને શુભેચ્છા પાઠવજો. મારા પોતાના હાથથી હું આ લખું છું, “પાઉલની શુભેચ્છા!” જે કોઈ આપણા પ્રભુ પર પ્રેમ રાખતો નથી તે “આનાથમા” અર્થાત્ શાપિત થાઓ. “મારાન થા” અર્થાત્ હે પ્રભુ, આવો! પ્રભુ ઈસુની કૃપા તમારી સાથે હો. હું તમને બધાને ઈસુ ખ્રિસ્તને નામે પ્રેમ પાઠવું છું. આમીન ઈશ્વરની ઇચ્છાથી પ્રેષિત તરીકે નિમાયેલો હું પાઉલ, તથા આપણા ભાઈ તિમોથી તરફથી કોરીંથમાંની ઈશ્વરની મંડળીને તથા ગ્રીસમાંના ઈશ્વરના સર્વ લોકોને શુભેચ્છા. આપણા ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ. ઈશ્વર અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા, જે દયાળુ પિતા છે અને જેમની પાસેથી સર્વપ્રકારે દિલાસો મળે છે, તેમનો આપણે આભાર માનીએ. ઈશ્વર અમને અમારાં સર્વ દુ:ખોમાં દિલાસો આપે છે, જેથી તેમણે અમને આપેલા દિલાસાને આધારે જેઓ કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં હોય તેમને અમે દિલાસો આપી શકીએ. કારણ, જેમ અમે ખ્રિસ્તનાં ઘણાં દુ:ખોના ભાગીદાર છીએ, તે જ પ્રમાણે ખ્રિસ્તની મારફતે અમે તેમના મહાન દિલાસાના પણ ભાગીદાર છીએ. જો અમે દુ:ખ સહન કરતા હોઈએ, તો તે તમારા દિલાસા અને ઉદ્ધારને માટે છે. જો અમને દિલાસો મળે છે, તો તેથી તમને પણ દિલાસો મળે છે; જેથી જે દુ:ખો અમે સહન કરીએ છીએ, તે જ દુ:ખો ધીરજથી સહન કરવાની શક્તિ તમને પણ મળે. અને તમારા માટેની અમારી આશા દૃઢ છે. અમે જાણીએ છીએ કે જેમ તમે અમારાં દુ:ખોના ભાગીદાર છો, તેમ જ અમને જે દિલાસો મળે છે, તેના પણ તમે ભાગીદાર થશો. ભાઈઓ, અમને આસિયા પ્રદેશમાં પડેલી મુશ્કેલીઓ અમે તમને જણાવવા માગીએ છીએ. અમારા પર એવો મોટો અને અસહ્ય બોજ આવી પડયો હતો કે અમે જીવવાની પણ આશા છોડી દીધી હતી. અમને જાણે કે મોતની સજા ફરમાવવામાં આવી હોય તેમ લાગ્યું હતું. એ તો અમે પોતા પર નહિ, પણ મરેલાંઓને સજીવન કરનાર ઈશ્વર પર જ આધાર રાખીએ તે માટે બન્યું. મોતનાં આવાં ભયંકર જોખમોમાંથી ઈશ્વરે અમને બચાવ્યા છે, અને બચાવશે. અમે આશા રાખી છે કે તે અમને ફરીથી પણ બચાવશે. ઘણી પ્રાર્થનાઓના પ્રત્યુત્તરરૂપે અમને અપાયેલી આશિષોને કારણે ઘણા લોક ઈશ્વરનો આભાર માને તે માટે તમારે પણ અમને પ્રાર્થના દ્વારા સહાય કરવી જોઈએ. અમને આ વાતનો ગર્વ છે કે અમે આ દુનિયામાં તમારા પ્રત્યે ઈશ્વર તરફથી મળેલી સંનિષ્ઠા અને નિખાલસતાથી વર્ત્યા છીએ અને તેનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરની કૃપાના સામર્થ્ય પર છે અને એની ખાતરી અમારી પ્રેરકબુદ્ધિ પણ અમને આપે છે. તમે વાંચીને સમજી શકો તેટલી જ બાબતો અમે તમને લખીએ છીએ, અને મારી આશા છે કે, હાલ તમે જે થોડુંઘણું સમજો છો તે તમે સંપૂર્ણ રીતે સમજશો; જેથી પ્રભુ ઈસુને દિવસે અમે જેમ તમારે માટે ગર્વ કરી શકીશું, તેમ તમે પણ અમારે માટે ગર્વ કરી શકશો. આ સર્વ બાબતોની ખાતરી હોવાથી મેં પ્રથમ તમારી મુલાકાત લેવાનું આયોજન કર્યું હતું; જેથી તમને બે વાર આશિષ મળે. કારણ, મકદોનિયા જતી વખતે અને ત્યાંથી પાછા વળતી વખતે પણ તમારી મુલાકાત લેવી એવું મેં વિચાર્યું હતું કે જેથી યહૂદિયા તરફની મારી મુસાફરી માટે મને સહાય મળી રહે. આ મુલાકાતના આયોજનમાં શું હું ઢચુપચુ છું? જ્યારે હું આયોજન કરું છું ત્યારે તેમાં શું હું સ્વાર્થ શોધું છું? એક જ સમયે “હા, આવીશ” તેમ જણાવીને તરત જ “ના, નહિ આવું” એવું કહું છું? હું સાચા ઈશ્વરને નામે કહું છું કે, મેં તમને આપેલું વચન તે “હા” અને “ના” એમ બન્‍નેમાં નહોતું. કારણ, સિલાસ, તિમોથી અને મારા દ્વારા તમારી આગળ પ્રગટ કરાયેલા ઈશ્વરપુત્ર એટલે ઈસુ ખ્રિસ્ત, એક્સાથે “હા” અને “ના” બન્‍ને નથી. એથી ઊલટું, તેમનામાં તો બધું “હા” જ છે. કારણ, ઈશ્વરે આપેલાં સર્વ વચનોને માટે તે “હા” છે. તેથી જ આપણે ઈશ્વરના મહિમાર્થે ઈસુ ખ્રિસ્તની મારફતે “આમીન” કહીએ છીએ. એ ઈશ્વરે જ ખ્રિસ્ત પ્રત્યેની નિષ્ઠામાં તમને અને અમને દૃઢ કર્યા છે, અને આપણો અભિષેક કર્યો છે. એ રીતે તેમણે આપણા પર તેમની માલિકીની મુદ્રા મારી છે; એટલે, આપણને જે કંઈ મળનાર છે એની ખાતરીરૂપે તેમણે આપણાં હૃદયોમાં વાસો કરવા પવિત્ર આત્મા આપ્યો છે. મારા મનના જાણકાર ઈશ્વર પણ મારા સાક્ષી છે કે, તમારા પર દયા લાવીને જ મેં કોરીંથ નહિ આવવાનો નિર્ણય કર્યો. તમારા વિશ્વાસ પર અમે પ્રભુત્વ જમાવવા માગતા નથી, પણ તમે વિશ્વાસ દ્વારા જ દૃઢ થઈ શકો તેમ હોઈ, અમે તો તમારા આનંદ માટે તમારી સાથે કાર્ય કરીએ છીએ. કારણ, તમે વિશ્વાસમાં દૃઢ રહો છો. તેથી તમારી સાથેની મારી હવે પછીની મુલાકાત તમને ખેદિત કરવાની ન હોય એવો મેં નિર્ધાર કર્યો છે. કારણ, જો હું તમને ખેદ પમાડું, તો પછી મને આનંદિત કરનાર કોણ રહેશે? જેમને મેં ખેદ પમાડયો તેઓ જ. હું તમારી પાસે આવું ત્યારે મને આનંદિત કરનારા લોકોથી જ મારે ખિન્‍ન ન થવું પડે માટે જ મેં તમને પેલો પત્ર લખ્યો હતો. પણ મને ખાતરી થઈ છે કે જ્યારે હું આનંદિત છું, ત્યારે તમે બધા આનંદિત છો. મેં તમારા પર બહુ જ વ્યથિત અને શોક્તિ હૃદયથી તથા આંસુઓ સહિત લખ્યું હતું. હવે, તે તમને ખેદ પમાડવા માટે નહિ, પણ હું તમારા પર કેટલો બધો પ્રેમ રાખું છું, તે તમે સમજો માટે લખ્યું હતું. જો કોઈએ કોઈને ખેદ પમાડયો હોય; તો તેણે મને નહિ પણ કંઈક અંશે તમને બધાને ખિન્‍ન કર્યા છે. (એ વિશે હું વિશેષ ભાર મૂકવા માગતો નથી) તમે એવી વ્યક્તિને બહુમતીથી શિક્ષા કરી છે તેટલું બસ છે. હવે તમારે તેને ક્ષમા આપવી જોઈએ, અને ઉત્તેજન આપવું જોઈએ; જેથી તે અતિશય ખિન્‍નતાથી હતાશ થઈ ન જાય. તેથી હું તમને વિનંતી કરું છું કે તમે ફરીથી એને તમારા પ્રેમની પ્રતીતિ કરાવો. આ જ કારણને લીધે મેં તમને પેલો પત્ર લખ્યો હતો: મારે જાણવું હતું કે, તમે ક્સોટીમાંથી કેવી રીતે પાર ઊતર્યા અને ખરેખર તમે મારી સૂચનાઓને આધીન થયા છો કે નહિ. જો કોઈને તમે ક્ષમા કરો છો, તો હું પણ તેને ક્ષમા કરું છું. કારણ, જો મારે ખરેખર કંઈ ક્ષમા આપવાની જ હોય તો જ્યારે હું ક્ષમા કરું છું ત્યારે તે તમારે માટે ખ્રિસ્તની સમક્ષતામાં કરું છું. જેથી શેતાન આપણા પર ફાવી ન જાય. કારણ આપણે તેની ચાલાકીઓથી માહિતગાર છીએ. હવે ખ્રિસ્તનો શુભસંદેશ પ્રગટ કરવાને માટે હું ત્રોઆસમાં આવ્યો, ત્યારે પ્રભુએ ત્યાં કાર્ય કરવાનું દ્વાર ઉઘાડયું હતું તેની મને ખબર પડી. પણ મારો ભાઈ તિતસ મને ત્યાં ન મળ્યો તેથી મને ઘણી ચિંતા થઈ. માટે ત્યાંના લોકોની વિદાય લઈ હું મકદોનિયા ગયો. પણ ઈશ્વરનો આભાર માનો; કારણ, ખ્રિસ્તમાં મેળવાયા હોવાથી ઈશ્વર આપણને હંમેશાં ખ્રિસ્તની વિજયકૂચમાં બંદીવાન તરીકે દોરી જાય છે. ખ્રિસ્ત વિષેનું જ્ઞાન સુગંધરૂપે સર્વત્ર ફેલાઈ જાય માટે ઈશ્વર આપણો ઉપયોગ કરે છે. કારણ, ખ્રિસ્તે આપણને સુગંધી ધૂપ તરીકે ઈશ્વરને અર્પણ કર્યાં છે અને એની સુગંધ ઉદ્ધાર પામી રહેલા અને નાશમાં જઈ રહેલા લોકો મયે પ્રસરે છે. જેઓ નાશમાં જઈ રહ્યા છે, તેમને માટે તે જીવલેણ દુર્ગંધ છે, જ્યારે જેઓ ઉદ્ધાર પામી રહ્યા છે તેમને માટે તે જીવનદાયક સુગંધ છે. તો આવું કાર્ય કરવા માટે કોણ યોગ્ય છે? ઘણાઓની જેમ અમે ઈશ્વરના સંદેશામાં ભેળસેળ કરનારા નથી. પણ, ઈશ્વરે અમને મોકલ્યા હોવાથી ખ્રિસ્તના સેવકો તરીકે અમે ઈશ્વરની સમક્ષ નિષ્ઠાપૂર્વક બોલીએ છીએ. શું અમે ફરીથી અમારાં વખાણ કરીએ છીએ? અથવા કેટલાક લોકોની જેમ શું અમને પણ તમારા પર લખેલા અથવા તમારી પાસેથી મેળવેલા ભલામણપત્રોની જરૂર છે? અમારો ભલાણપત્ર તો તમે જ છો, જે અમારા હૃદય પર લખાયેલો છે, અને સૌ તેને વાંચે છે, અને જાણે છે. આ પત્ર તો ખ્રિસ્તે લખ્યો છે, અને અમારી મારફતે તે મોકલ્યો છે. તે શાહીથી નહિ, પણ જીવંત ઈશ્વરના આત્માથી; તેમજ શિલાપાટીઓ પર નહિ, પણ માનવી હૃદયો પર લખાયેલો છે. ખ્રિસ્તની મારફતે ઈશ્વરમાં અમને એવો ભરોસો છે માટે અમે આ વાત જણાવીએ છીએ. આ કાર્ય કરવા અમે શક્તિમાન છીએ એવો દાવો કરવા જેવું અમારામાં કંઈ જ નથી. આ કાર્યશક્તિ અમને ઈશ્વર તરફથી મળે છે. ઈશ્વરે અમને નવા કરાર પ્રમાણેની સેવાને માટે શક્તિમાન કર્યા છે: તે કરાર લેખિત નહિ, પણ પવિત્ર આત્મા દ્વારા થયેલો છે. લેખિત નિયમ તો મરણ નિપજાવે છે, પણ પવિત્ર આત્મા જીવન આપે છે. શિલાપાટીઓ પર કોતરાયેલા મોશેના નિયમની સેવા મરણકારક હોવા છતાં તે એવા ગૌરવસહિત આપવામાં આવી હતી કે મોશેના મુખ પર પડેલા ગૌરવનું તેજ જે ઝાંખું થતું જતું હતું, તેને પણ ઇઝરાયલીઓ એકીટશે જોઈ શક્યા નહિ. તો પછી પવિત્ર આત્માની સેવા કેટલી વિશેષ ગૌરવવાન હોય? જે સેવા માણસોને દોષિત ઠરાવનાર હતી, તે ગૌરવવાન હતી; તો પછી જે સેવાથી માણસોને દોષમુક્ત જાહેર કરવામાં આવે છે, તે કેટલી વધારે ગૌરવવાન હોય! આપણે કહી શકીએ કે ભૂતકાળનું તેજસ્વી ગૌરવ હાલના વિશેષ તેજસ્વી ગૌરવને કારણે જતું રહ્યું છે. ક્ષણિક ટકનાર ગૌરવ કરતાં સર્વકાળ ટકનાર ગૌરવ કેટલું વધારે મહાન હોય? અમારી પાસે આવી આશા હોવાથી અમે હિંમતવાન છીએ. એ ઝાંખા થતા જતા ક્ષણિક ગૌરવને ઇઝરાયલીઓ ન જુએ તે માટે પડદાથી પોતાનું મુખ ઢાંકનાર મોશેના જેવા અમે નથી. તેમનાં મન બંધ હતાં, અને આજે પણ જ્યારે તેઓ જૂના કરારનાં પુસ્તકોનું વાંચન કરે છે, ત્યારે તેમનાં મન તે જ પડદાથી ઢંક્યેલાં રહે છે. ફક્ત ખ્રિસ્ત દ્વારા જ તે પડદો દૂર કરવામાં આવે છે. આજે પણ જ્યારે તેઓ મોશેનું નિયમશાસ્ત્ર વાંચે છે, ત્યારે એ પડદો તેમનાં મનને ઢાંકી રાખે છે. પણ એ પડદો હટાવી શકાય છે. શાસ્ત્રમાં મોશે વિષે એવું જ લખ્યું છે: “તે જ્યારે પ્રભુ તરફ ફરતો ત્યારે તેનો પડદો દૂર કરવામાં આવતો.” હવે પ્રભુ તો આત્મા છે; અને જ્યાં પ્રભુનો આત્મા છે, ત્યાં સ્વતંત્રતા છે. આપણે સર્વ ખુલ્લા ચહેરે, પ્રભુના ગૌરવને અરીસાની માફક પ્રતિબિંબિત કરીએ છીએ, અને પ્રભુ પવિત્ર આત્મા પાસેથી આવતું એ જ ગૌરવ તેમની પ્રતિમામાં આપણું પરિવર્તન કરીને આપણને વિશેષ ગૌરવવાન બનાવે છે. ઈશ્વરે પોતાની દયાથી અમને આ સેવા સોંપી હોવાથી અમે નિરાશ થતા નથી. અમે શરમજનક ગુપ્ત કાર્યોનો ત્યાગ કર્યો છે. અમે છેતરપિંડી કરતા નથી, કે ઈશ્વરના સંદેશમાં ભેળસેળ કરતા નથી. સત્યના પૂર્ણ પ્રકાશમાં અમે ઈશ્વરની સમક્ષ જીવીએ છીએ, અને પ્રત્યેકની પ્રેરકબુદ્ધિને અમારી યોગ્યતાની ખાતરી થાય એ રીતે રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ, જે શુભસંદેશ અમે પ્રગટ કરીએ છીએ, તે જો છુપાયેલો હોય, તો તે માત્ર નાશમાં જઈ રહેલાઓ માટે જ છુપાયેલો છે. આ દુનિયાના દેવે તેમનાં મન અંધકારમાં રાખેલાં હોવાથી તેઓ વિશ્વાસ કરી શક્તા નથી. તેથી ખ્રિસ્ત, જે ઈશ્વરનું આબેહૂબ પ્રતિરૂપ છે, તેમના ગૌરવનો પ્રકાશ શુભસંદેશની મારફતે આવે છે, અને નાશમાં જઈ રહેલાઓ એ પ્રકાશ જુએ નહિ, તે માટે દુષ્ટ તેમને દૂર રાખે છે. કારણ, અમે પોતાને નહિ, પણ ખ્રિસ્ત ઈસુને પ્રભુ તરીકે પ્રગટ કરીએ છીએ. અમે તો ખ્રિસ્તને લીધે તમારા સેવકો જ છીએ. “અંધકારમાં પ્રકાશ થાઓ,” એવું ફરમાન કરનાર ઈશ્વરે જ તેમનો પ્રકાશ આપણાં હૃદયોમાં પાડયો છે; જેથી ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય. અમે તો માટીનાં પાત્રો જેવાં છીએ અને અમારી પાસે પણ આ આત્મિક ખજાનો છે; જેથી સર્વશ્રેષ્ઠ સામર્થ્ય અમારું નથી, પણ ઈશ્વર પાસેથી મળેલું છે તેમ જાહેર થાય છે. અમને જુદી જુદી રીતે પરેશાન કરવામાં આવ્યા છે, પણ અમે કચડાઈ ગયા નથી. કેટલીકવાર મૂંઝવણમાં મૂક્યા છતાં અમે કદીએ નિરાશ થયા નથી. દુશ્મનો ઘણા છે, પણ અમે કદીએ મિત્રવિહોણા થયા નથી. ઘણીવાર ખૂબ ઘાયલ થયા હોવા છતાં અમે નાશ પામ્યા નથી. અમે અમારાં મર્ત્ય શરીરોમાં ઈસુના મરણને સદા ઊંચકીને ફરીએ છીએ, જેથી અમારાં શરીરોની મારફતે ઈસુનું જીવન પણ પ્રગટ થાય. ખ્રિસ્તને લીધે અમારા સમગ્ર જીવન દરમિયાન અમે મૃત્યુને દરરોજ સોંપાઈએ છીએ; જેથી અમારાં આ મર્ત્ય શરીરોની મારફતે તેમનું જીવન પ્રગટ થાય. આમ, અમારામાં મરણ કાર્ય કરે છે, પણ તમારામાં જીવન કાર્ય કરે છે. શાસ્ત્રમાં લખેલું છે: “મને વિશ્વાસ હોવાથી હું બોલ્યો.” વિશ્વાસના એ જ આત્મા પ્રમાણે અમે પણ વિશ્વાસ કર્યો હોવાથી અમે બોલીએ છીએ. અમે જાણીએ છીએ કે, પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર, ઈસુની સાથે અમને પણ સજીવન કરશે અને પોતાની હાજરીમાં તમારી સાથે અમને પણ લઈ જશે. આ બધું તમારા લાભ માટે જ છે, અને જેમ જેમ વધુ ને વધુ લોકોને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે, તેમ તેમ ઈશ્વરના મહિમાર્થે તેઓ વિશેષ આભારસ્તુતિ કરશે. આ જ કારણથી અમે નિરાશ થતા નથી. જોકે અમારું શારીરિક જીવન ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે, પણ અમારું આત્મિક જીવન દરરોજ તાજગી પામતું જાય છે. અમે આ હળવી અને ક્ષણિક મુશ્કેલી ભોગવીએ છીએ, પણ તેના દ્વારા અમને એનાં કરતાં પણ મહાન એટલે અદ્‍ભુત અને સાર્વકાલિક ગૌરવ પ્રાપ્ત થશે. કારણ, અમે અમારું લક્ષ દશ્ય બાબતો પર નહિ, પણ અદશ્ય બાબતો પર રાખીએ છીએ. જે દશ્ય છે, તે ક્ષણિક છે; પણ જે અદશ્ય છે, તે સાર્વકાલિક છે. આપણને ખબર છે કે આ તંબૂ એટલે પૃથ્વી પરનું આપણું આ શરીર તૂટી જવાનું છે, પણ આપણે સારુ રહેવા માટે ઈશ્વરે સ્વર્ગમાં ઘર રાખેલું છે. એ ઘર ઈશ્વરે પોતે જ બનાવ્યું છે, અને તે સદાકાળ ટકનારું છે. હવે એ સ્વર્ગીય ઘરમાં રહેવાની તીવ્ર ઇચ્છા રાખતાં આ તંબૂમાં રહ્યા રહ્યા આપણે નિસાસા નાખીએ છીએ. આપણે એ સ્વર્ગીય ઘરને વસ્ત્ર તરીકે ધારણ કરવા ઇચ્છીએ છીએ; જેથી આપણે નિ:વસ્ત્ર જેવા રહીએ નહિ. આ પૃથ્વી પરના તંબૂમાં રહેતાં રહેતાં દુ:ખથી દબાઈ ગયા હોઈએ તેમ આપણે નિસાસા નાખીએ છીએ. આપણે આ પૃથ્વી પરના શરીરમાંથી મુક્ત થવા માગીએ છીએ એમ નથી; પણ આપણને સ્વર્ગીય શરીરથી પરિધાન કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ; જેથી જે મર્ત્ય છે તે જીવનમાં ગરક થઈ જાય! આપણને આ ફેરફારને માટે તૈયાર કરનાર તો ઈશ્વર છે, અને એની ખાતરી તરીકે તેમણે આપણને પવિત્ર આત્મા આપેલો છે. તેથી અમે હંમેશાં હિંમતવાન છીએ. અમે જાણીએ છીએ કે, જ્યાં સુધી અમે આ શરીરરૂપી ઘરમાં છીએ, ત્યાં સુધી અમે સ્વર્ગીય ઘરથી અને તેથી પ્રભુથી દૂર છીએ. અમારા જીવનનો આધાર વિશ્વાસ છે; દૃષ્ટિ નહિ. અમે હિંમતવાન છીએ, અને પ્રભુની સાથે સ્વર્ગીય ઘરમાં રહેવાનું તથા આ શરીરરૂપી ઘર છોડી દેવાનું વધુ પસંદ કરીએ છીએ. પણ એથી વિશેષ અમે આ ઘરમાં હોઈએ કે ત્યાં હોઈએ, પણ અમે ઈશ્વરને પસંદ પડીએ એવી ઉમેદ રાખીએ છીએ. કારણ, ખ્રિસ્ત આપણો ન્યાય કરે તે માટે આપણે દરેકે તેમની સમક્ષ હાજર થવું પડશે. દરેક પોતાના શારીરિક જીવન દરમિયાન સારું કે નરસું જે કંઈ કર્યું હશે, તે મુજબ જ ફળ પામશે. અમે મનમાં ઈશ્વરનો ડર રાખીને માણસોને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વર અમને પૂરેપૂરી રીતે ઓળખે છે, અને તમે પણ તમારાં અંત:કરણોથી અમને ઓળખો છો એવી અમને આશા છે. અમે ફરીવાર તમારી આગળ અમારી યોગ્યતાની જાહેરાત કરતા નથી પણ તમે અમારા વિષે ગર્વ લઈ શકો તે માટેનું કારણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ; જેથી માણસના ચારિય પ્રમાણે નહિ, પણ તેના દેખાવ ઉપરથી વખાણ કરનારાઓને તમે જવાબ આપી શકો. શું અમે ખરેખર પાગલ બની ગયા છીએ? તો તે ઈશ્વરને લીધે છે. અથવા શું અમારું મગજ ઠેકાણે છે? તો તે તમારે માટે છે. ખ્રિસ્તનો પ્રેમ જ અમારું પ્રેરકબળ છે; કારણ, અમે જાણીએ છીએ કે, એક માણસે સર્વ માણસોને માટે મરણ સહન કર્યું અને તેથી સૌ તેના મરણના ભાગીદાર થયા છે. ઈસુ બધાં માણસોને માટે મરણ પામ્યા, તેથી હવે જેઓ જીવે છે તેઓ પોતાને માટે નહિ, પણ તેમને માટે મરણ પામીને સજીવન થનાર ઈસુને માટે જીવે. આમ હવે અમે કોઈનું મૂલ્યાંકન માનવી ધોરણે કરતા નથી. જોકે એક વખતે અમે ખ્રિસ્તનું પણ માનવી ધોરણે મૂલ્યાંકન કર્યું હતું. પણ હવે તેવું કરતા નથી. જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્ત સાથે જોડાય છે, ત્યારે તે નવું સર્જન બની જાય છે; જૂનું ચાલ્યું ગયું છે, નવું આવ્યું છે. આ બધું ઈશ્વરનું જ કાર્ય છે. તેમણે ખ્રિસ્ત દ્વારા આપણને દુશ્મનમાંથી મિત્રો બનાવ્યા છે, અને બીજાઓને પણ તેમના મિત્રો બનાવવાનું સેવાકાર્ય સોંપ્યું છે. ઈશ્વર સર્વ માણસોને ખ્રિસ્તની મારફતે પોતાના મિત્રો બનાવે છે, એ જ અમારો સંદેશો છે. માણસોએ કરેલાં પાપોની ઈશ્વરે તેમની વિરુદ્ધમાં નોંધ રાખી નહિ; પણ તે કેવી રીતે તેમને તેમના મિત્રો બનાવે છે તે અંગેનો સંદેશો તેમણે અમને આપેલો છે. આમ, અમે ખ્રિસ્તના રાજદૂત છીએ, અને ઈશ્વર અમારી મારફતે જાણે કે તમને અપીલ કરતા હોય તેમ અમે તમને વીનવણી કરીએ છીએ કે તમે ઈશ્વરની સાથે સલાહશાંતિમાં આવો. ખ્રિસ્ત પોતે નિષ્પાપ હતા, છતાં ઈશ્વરે તેમને આપણે માટે પાપરૂપ કર્યા; જેથી ખ્રિસ્તની સાથે મેળવાયા હોવાથી આપણે ઈશ્વરની પવિત્રતાના ભાગીદાર બનીએ. ઈશ્વરના સહકાર્યકરો તરીકે અમે તમને આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ: તમને મળેલી ઈશ્વરની કૃપા નિરર્થક થવા ન દો. શાસ્ત્રમાં ઈશ્વર કહે છે, “તારા પર કૃપા દર્શાવવાને સમયે મેં તારી વિનંતી સાંભળી, અને તારો ઉદ્ધાર કરવાના દિવસે મેં તને મદદ કરી.” હમણાં જ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાનો સમય છે; આજે જ ઉદ્ધાર પામવાનો દિવસ છે. અમારા સેવાકાર્યમાં કોઈ દોષ ન કાઢે તે માટે અમે કોઈના માર્ગમાં કશી હરક્તો ઊભી કરવાનો પ્રયત્ન કરતા નથી, પણ અમે જે કંઈ કરીએ છીએ તેમાં ધીરજપૂર્વક હરક્તો, મુશ્કેલીઓ અને સંકટો સહન કરીને અમે ઈશ્વરના સેવકો છીએ તેવું દર્શાવીએ છીએ. અમને માર પડયો છે, જેલમાં પૂરવામાં આવ્યા છે, અને ટોળાના હુમલાનો ભોગ બનાવાયા છે. અમારી પાસે વૈતરું કરાવ્યું છે. અમે ઉજાગરા અને ભૂખ વેઠયાં છે. અમારી શુદ્ધતા, જ્ઞાન, સહનશીલતા અને માયાળુપણાથી અમે પોતાને ઈશ્વરના સેવકો તરીકે જાહેર કર્યા છે; અમે એ કાર્ય પવિત્ર આત્માની સહાયથી, સાચા પ્રેમથી, સત્યના અમારા સંદેશાથી અને ઈશ્વરના સામર્થ્ય દ્વારા કર્યું છે. સ્વરક્ષણ તેમજ આક્રમણ માટે અમે સચ્ચાઈને અમારું શસ્ત્ર બનાવ્યું છે! અમને માન મળ્યું, ને અમારી નિંદા પણ થઈ; અમારું અપમાન થયું, ને અમારાં વખાણ પણ થયાં. અમને જુઠ્ઠા ગણવામાં આવ્યા હોવા છતાં અમે સત્ય બોલીએ છીએ. અજાણ્યા જેવા છતાં અમને બધા ઓળખે છે; મરી રહ્યા હોવા છતાં અમે જીવીએ છીએ; સજા પામ્યા છતાં અમને મારી નાખવામાં આવ્યા નથી; અમને દુ:ખી કરવામાં આવ્યા હોવા છતાં અમે હંમેશા આનંદ કરીએ છીએ; અમે ગરીબ હોવા છતાં પણ બીજાને ધનવાન બનાવીએ છીએ; અમારી પાસે કંઈ જ નથી, છતાં અમારી પાસે બધું જ છે. કોરીંથના ભાઈઓ, અમે પ્રામાણિક્તાથી અને અમારાં દિલ ખોલીને વાત કરી છે. અમે અમારાં દિલ તમારા પ્રત્યે બંધ કર્યાં નથી, પણ તમે તમારાં દિલ અમારા પ્રત્યે બંધ કર્યાં છે. તમે મારાં બાળકો હો તે રીતે હવે હું વાત કરું છું. અમને તમારે માટે જે લાગણી છે તેવી જ લાગણી તમે અમારા પ્રત્યે પણ દર્શાવો. તમારાં દિલ અમારી આગળ ખુલ્લાં કરો. વિશ્વાસના વિરોધીઓ સાથે સંબંધની વિષમ ઝૂંસરીએ જોડાઓ નહિ; કારણ, તેમ કરી શકાય જ નહિ. જૂઠ અને સત્ય એકબીજાનાં સાથીદાર શી રીતે બની શકે? પ્રકાશ અને અંધકાર એક્સાથે કેવી રીતે રહી શકે? ખ્રિસ્ત અને શેતાન કેવી રીતે સંમત થાય? વિશ્વાસી અને અવિશ્વાસીને શું લાગેવળગે? ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શો સંબંધ હોય? કારણ, આપણે તો જીવતા ઈશ્વરનું મંદિર છીએ! ઈશ્વરે પોતે જ કહ્યું છે તેમ, “હું મારા લોક મયે મારું ઘર બનાવીશ, અને તેમની સાથે વાસો કરીશ, હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારી પ્રજા બનશે.” તેથી પ્રભુ કહે છે: “તમે તેમનામાંથી નીકળીને અલગ થાઓ, જે અશુદ્ધ છે તેનો સ્પર્શ પણ ન કરો, એટલે હું તમારો સ્વીકાર કરીશ. હું તમારો પિતા બનીશ, અને તમે મારાં પુત્રપુત્રીઓ બનશો, એવું સર્વશક્તિમાન પ્રભુ કહે છે.” મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યાં હોવાથી આપણા આત્મા અને શરીરને, એટલે કે, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્રતાની પૂર્ણતા પ્રતિ વધતા જઈએ. તમારા દિલમાં અમને સ્થાન આપો. અમે કોઈનું કંઈ ખોટું કર્યું નથી અથવા કોઈનું કંઈ બગાડયું નથી, અથવા કોઈનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન પણ કર્યો નથી. તમને દોષિત ઠરાવવા હું આ લખતો નથી; કારણ, મેં તમને પહેલાં કહ્યું હતું તેમ, તમે અમને એટલા પ્રિય છો કે આપણે મરીએ કે જીવીએ પણ સાથે જ છીએ. મને તમારા પર ભરોસો હોવાથી હું તમારે માટે આવો ગર્વ ધરાવું છું! અમારાં સર્વ સંકટોમાં મને પુષ્કળ દિલાસો મળ્યો છે અને હું ખૂબ પ્રફુલ્લિત થયો છું! મકદોનિયા આવ્યા પછી પણ અમને કંઈ આરામ મળ્યો નહિ. ચોતરફ મુશ્કેલીઓ હતી - બહાર સંઘર્ષ અને અમારાં હૃદયોમાં બીક હતાં. પણ દયભંગિતોને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આગમન દ્વારા અમને પ્રોત્સાહન આપ્યું. ફક્ત તેના આગમનથી જ નહિ, પણ તમે તેને કેવી રીતે ઉત્તેજન આપ્યું તેથી પણ અમને પ્રોત્સાહન મળ્યું. તેણે મને તમારી ઝંખનાની, તમારા પશ્ર્વાત્તાપની અને તમે મને મળવા કેટલા આતુર છો તે વિષે વાત કરી છે. એનાથી મને ઘણો જ આનંદ થયો છે. જો કે મારા એ પત્રથી તમે દુ:ખી થયા, છતાં એ લખ્યાથી મને દુ:ખ થયું નથી. થોડા સમય માટે એ પત્રે તમને દુ:ખી કર્યા તેથી મને દુ:ખ થયું હોત; પણ તમને દુ:ખી કર્યા તેથી નહિ, પણ દુ:ખ થવાથી તમે તમારા માર્ગો બદલ્યા માટે હવે મને આનંદ થાય છે. આ દુ:ખનો ઈશ્વરે ઉપયોગ કર્યો; તેથી અમે તમને કંઈ નુક્સાન પહોંચાડયું નથી. ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થતો ખેદ દયપરિવર્તન લાવીને ઉદ્ધાર તરફ દોરી જાય છે અને તેમાં પાછળથી પસ્તાવું પડતું નથી; પણ દુન્યવી ખેદ મરણ નિપજાવે છે. ઈશ્વરને પ્રસન્‍ન કરવા વેઠેલા દુ:ખે તમારામાં શું કર્યું તેનો વિચાર કરો: તેથી તમે કેટલા પ્રામાણિક બન્યા છો, અને તમે નિર્દોષ છો તે પુરવાર કરવા તમે કેટલા આતુર છો! તેથી તો આવો રોષ, આવી ચેતવણી, આવી આતુરતા, આવી ભક્તિ અને જૂઠને શિક્ષા કરવાની આવી તત્પરતા તમારામાં જાગ્યાં છે. સમગ્ર બાબતમાં તમે પોતે નિર્દોષ છો, એવું તમે પુરવાર કર્યું છે. જો કે જેણે ખોટું કર્યું અથવા જેનું ખોટું થયું તેમને માટે મેં તે પત્ર લખ્યો નહોતો, પણ ઈશ્વરની નજરમાં તમારી ભક્તિ અને અમારા પ્રત્યેની તમારી લાગણી કેટલી ઊંડી છે તે પ્રગટ કરવા માટે જ મેં તે લખ્યું હતું. અમને તો તેથી સાંત્વન મળ્યું છે. વળી, અમને સાંત્વન મળ્યું તે ઉપરાંત તમે બધાએ જે રીતે તિતસને સહાય કરી તેને લીધે તિતસને થયેલા આનંદને કારણે અમને વિશેષ આનંદ થયો છે. તેની સમક્ષ મેં તમારે વિષે ગર્વ કર્યો હતો, અને તમે મને નિરાશ કર્યો નથી, અને હંમેશાં અમે તમને જે કહ્યું તે સત્ય જ હતું. એ જ રીતે તિતસ સમક્ષ અમે જે ગર્વ કર્યો છે તે પણ સાચો ઠર્યો છે. તમે સર્વ તેને આધીન થવાને કેટલા આતુર હતા અને ભય તથા કંપારી સહિત તમે તેનો અંગીકાર કર્યો, તે યાદ કરતાં તમારા પ્રત્યેનો તેનો પ્રેમ વૃદ્ધિ પામતો જાય છે. તમારા પર હું સંપૂર્ણ ભરોસો રાખી શકું છું, તેથી હું કેટલો બધો આનંદિત છું! ભાઈઓ, મકદોનિયાની મંડળીઓ પર થયેલી ઈશ્વરની કૃપા વિષે તમે જાણો એવી અમારી ઇચ્છા છે. જે સંકટોમાંથી તેઓ પસાર થયા તેમાં તેમની આકરી ક્સોટી થઈ; પણ તેઓ પુષ્કળ આનંદમાં હતા. તેથી ઘણા ગરીબ હોવા છતાં તેમણે ખૂબ ઉદારતાથી દાન આપ્યું. તેમણે જેટલું આપી શકાય તેટલું, બલ્કે, તેથી વિશેષ આપ્યું. હું એનો સાક્ષી છું. યહૂદિયામાંના ઈશ્વરના લોકોને મદદ કરવામાં તેમનોય હિસ્સો લેવામાં આવે એવો આગ્રહ તેમણે અમને સ્વેચ્છાથી કર્યો. અમારી અપેક્ષા કરતાં આ વાત વિશેષ હતી. પ્રથમ તેમણે પોતાની સોંપણી પ્રભુને કરી, અને પછી ઈશ્વરની ઇચ્છાથી તેઓ અમને પણ સોંપાઈ ગયા. તેથી આ કાર્યની શરૂઆત કરનાર તિતસને અમે એવી વિનંતી કરી છે કે તે આ કાર્ય ચાલુ રાખે અને પ્રેમની આ ખાસ સેવા પૂરી કરવામાં તમારી મદદ કરે. વિશ્વાસ, વાણી, જ્ઞાન, મદદ કરવાની તમારી તમન્‍ના અને અમારા માટેનો તમારો પ્રેમ એ સર્વમાં તમે ધનવાન છો અને તેથી પ્રેમની આ સેવામાં તમે ઉદાર બનો એવી અમારી વિનંતી છે. હું તમારે માટે કોઈ નિયમો નક્કી કરતો નથી, પણ તમે બીજાઓને મદદ કરવાને કેટલા આતુર છે, તે બતાવીને તમારો પ્રેમ કેટલો સાચો છે તે હું શોધી કાઢવા માગું છું. કારણ, તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાની તો ખબર છે: તે તો ધનવાન હતા, છતાં તમારે માટે તે ગરીબ બન્યા; જેથી તેમની ગરીબાઈથી તમે ધનવાન બનો. આ બાબતમાં મારું મંતવ્ય આ પ્રમાણે છે: ગયા વર્ષે તમે દાન ઉઘરાવવાની જે શરૂઆત કરી હતી તેને હવે પૂર્ણ કરો એ સારું છે. કાર્ય કરવામાં અને તે પણ સ્વેચ્છાપૂર્વક કરવામાં તમે જ પ્રથમ હતા. તેથી તેમાં ચાલુ રહો, અને કાર્ય પૂરું કરો. જેવા ઉત્સાહથી તમે યોજના ઘડી હતી, તે જ ઉત્સાહથી તમારી પાસે જે છે તેના દ્વારા તે યોજના પૂર્ણ કરો. જો તમે દાન આપવા આતુર હો, તો તમારી પાસે જે નથી તેને આધારે નહિ, પણ તમારી પાસે જે છે તેને આધારે ઈશ્વર તમારી ભેટ સ્વીકારશે. બીજાઓને મુક્ત કરવા માટે હું તમારા પર બોજ નાખવા માગતો નથી. પણ આ સમયે તમારી પાસે પુષ્કળ હોવાથી જેમને તંગી છે તેમને તમે મદદ કરો તે યોગ્ય છે. અને જ્યારે તેમની પાસે પુષ્કળ હશે ત્યારે તેઓ તમને મદદ કરશે. આમ, બંનેને સરખું મળશે. શાસ્ત્રમાં લખેલું છે: “જેણે વધુ એકઠું કર્યું તેની પાસે વયું નહિ, અને જેણે ઓછું એકઠું કર્યું તેની પાસે ખૂટી ગયું નહિ.” તમને મદદ કરવાને અમારા જેટલી જ આતુરતા તિતસે દાખવી એથી અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ. તેણે અમારી વિનંતી માન્ય રાખી એટલું જ નહિ, પણ મદદ કરવાને તે એટલો આતુર હતો કે તેણે સ્વેચ્છાએ તમારી પાસે આવવાનો નિર્ણય લીધો છે. તેની સાથે અમે એક ભાઈને મોકલીએ છીએ, જે શુભસંદેશ પ્રગટ કરવાના કાર્યમાં સર્વ મંડળીઓમાં પ્રસંશાપાત્ર છે. વળી, ઈશ્વરના માહિમાર્થે પ્રેમની આ જે સેવા અમે કરીએ છીએ તેમાં અમારી સાથે મુસાફરી કરવા, તેમ જ અમે મદદ કરવા આતુર છીએ તે જણાવવા મંડળીઓએ તેને પસંદ કરીને તેની નિમણૂંક કરી છે. આ ઉદાર દાનના ઉપયોગ વિષે કોઈ ફરિયાદ ન થાય તેની અમે કાળજી રાખીએ છીએ. માત્ર પ્રભુની દૃષ્ટિમાં જ નહિ, પણ માણસોની દૃષ્ટિમાં પણ જે યોગ્ય છે તે કરવાનો અમારો હેતુ છે. તેથી તેમની સાથે આપણા ભાઈને અમે મોકલીએ છીએ. અમે ઘણીવાર તેની તપાસ કરી છે, અને હંમેશાં તે મદદ કરવા માટે આતુર માલૂમ પડયો છે. હવે તેને તમારા પર પુષ્કળ ભરોસો છે, અને તેથી તે મદદ કરવા વધુ તત્પર છે. તિતસના સંબંધી કહું તો તમને મદદ કરવામાં તે મારો સહકાર્યકર છે. તેની સાથે આવનાર બીજા ભાઈઓ મંડળીઓના પ્રતિનિધિઓ છે અને ખ્રિસ્તનો મહિમા પ્રગટ કરે છે. તેઓ પ્રત્યે તમારો પ્રેમ દર્શાવશો; જેથી તમારા સંબંધી અમે યથાયોગ્ય ગર્વ કરીએ છીએ તેની સર્વ મંડળીઓને ખાતરી થાય. યહૂદિયામાંના ઈશ્વરના લોકો માટે મોકલવાની મદદ સંબંધી મારે તમને જણાવવાની કંઈ જરૂર નથી. તમે મદદ કરવા આતુર છો તેની મને ખબર છે. મકદોનિયાના લોકોની સમક્ષ મેં તે વિષે ગર્વ કરેલો છે. ગ્રીસના ભાઈઓ છેક ગયા વર્ષથી મદદ કરવાને આતુર છે એમ મેં જણાવ્યું હતું. તમારી આતુરતાથી ઘણાને પ્રોત્સાહન મળ્યું છે. હવે હું આ ભાઈઓને મોકલું છું; જેથી તમારે વિષે અમે કરેલો ગર્વ તે ફક્ત શાબ્દિક જ ન રહે, પણ જેમ મેં જણાવ્યું છે તેમ તમે મદદ કરવાને તૈયાર રહેજો. નહિ તો, જો મકદોનિયાના લોકો મારી સાથે આવશે અને તમે મદદ કરવા તૈયાર નથી તેવી તેમને ખબર પડશે તો તમારી શરમની વાત તો ઠીક, પણ તમારે વિષે આટલી ખાતરી ધરાવતા હોવાથી અમારે કેટલું શરમાવું પડે! આ ભાઈઓ મારી પહેલાં તમારી પાસે આવે અને જે દાન આપવાનું તમે વચન આપ્યું છે તે અગાઉથી ઉઘરાવી રાખે, તે માટે મેં તેમને વિનંતી કરવાનું જરૂરી ગણ્યું છે; જેથી જ્યારે હું આવું ત્યારે તે દાન તૈયાર હોય, અને તમે ફરજ પડયાથી નહિ, પણ સ્વેચ્છાએ આપો છો તેમ જણાય. આ વાત યાદ રાખો: જે માણસ થોડાં બીજ વાવે છે, તેનો પાક પણ થોડો જ થાય છે. પણ જે માણસ ઘણાં બીજ વાવે છે, તેને ત્યાં મબલક પાક ઊતરે છે. કમને કે ફરજ પડયાથી નહિ, પણ દરેકે પોતે નક્કી કર્યા પ્રમાણે જ આપવું. કારણ, આનંદ સહિત આપનારને ઈશ્વર ચાહે છે. ઈશ્વર તમને તમારી જરૂર કરતાં પણ વિશેષ આપવાને સમર્થ છે; તેથી તમારે જેની જરૂર છે તે તમને હંમેશાં મળશે, અને દરેક સારા ક્મને માટે જરૂર કરતાં પણ વધુ મળશે. શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર ગરીબોને ઉદારતાથી આપે છે, અને તેમની ભલાઈ ચિરકાળ ટકે છે.” વાવનારને બીજ અને ખાવા માટે ખોરાક આપનાર ઈશ્વર તમારે જે બીજની જરૂર છે તે સર્વ પૂરાં પાડશે, અને તેને વૃદ્ધિ આપશે; જેથી તમારી ઉદારતાનો પાક પુષ્કળ થાય. તમે સર્વ સમયે ઉદાર બની શકો માટે ઈશ્વર તમને ધનવાન બનાવશે; જેથી અમારી મારફતે મળતાં તમારાં દાનથી, ઘણાં ઈશ્વરનો આભાર માનશે. તમારી આ સેવા માત્ર ઈશ્વરના લોકોની જરૂરિયાતોને પહોંચી વળે છે એટલું જ નહિ, પણ સાથે સાથે તેનાથી ઘણા ઈશ્વરનો પુષ્કળ આભાર પણ માને છે. એ સેવા દ્વારા તમે ખ્રિસ્તના સંદેશાની કરેલી કબૂલાત પ્રમાણે તેને આધીન રહો છો એનો પુરાવો મળ્યાથી અને તમારી અન્ય સૌ પ્રત્યે દાખવેલી ઉદારતાને કારણે તેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે. આમ, તમારા પર ઘણો પ્રેમ રાખીને તેઓ તમારે માટે પ્રાર્થના કરશે; કારણ, ઈશ્વરે તમારા પર અસાધારણ કૃપા દર્શાવી છે. ઈશ્વરની અવર્ણનીય બક્ષિસને માટે તેમનો આભાર માનીએ! હું પાઉલ તમને વ્યક્તિગત વિનંતી કરું છું: મારે વિષે એવું કહેવાય છે કે, જ્યારે હું તમારી સાથે હોઉં છું, ત્યારે માયાળુ અને નમ્ર હોઉં છું; પણ જ્યારે દૂર હોઉં છું, ત્યારે તમારા પ્રત્યે કડક વલણ દાખવું છું. પણ હું ખ્રિસ્તની નમ્રતા અને ભલાઈથી વિનંતી કરું છું: હું તમારી પાસે આવું ત્યારે તમારા પ્રત્યે કડક વલણ દાખવવાની મને ફરજ ન પાડો. જેઓ એમ કહે છે કે અમે સ્વાર્થી હેતુઓ પ્રમાણે કાર્ય કરીએ છીએ, તેમના પ્રત્યે હું કડક વલણ દાખવીશ. અલબત્ત, અમે દુનિયામાં જીવીએ છીએ, પણ અમે દુન્યવી હેતુઓ માટે લડાઈ કરતા નથી. જે શસ્ત્રો અમે વાપરીએ છીએ તે દુન્યવી નથી, પણ ઈશ્વરનાં શક્તિશાળી શસ્ત્રો છે. તેનાથી અમે કિલ્લાઓને પણ તોડી પાડીએ છીએ. અમે જૂઠી દલીલોને તોડી પાડીએ છીએ. ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધની દરેક બંડખોર વિચારસરણીનું અમે ખંડન કરીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. તમે તમારી સંપૂર્ણ વફાદારી સાબિત કરી બતાવો તે પછી બિનવફાદારીના પ્રત્યેક કૃત્યની શિક્ષા કરવા અમે તૈયાર રહીશું. તમે માત્ર બહારનો દેખાવ જુઓ છો. હું ખ્રિસ્તનો છું એવો જો કોઈને પોતાને વિશે ભરોસો હોય તો તેણે પોતા વિષે ફરીથી વિચાર કરવો. કારણ, તેની જેમ અમે પણ ખ્રિસ્તના જ છીએ. પ્રભુએ અમને આપેલા અધિકારનો મેં બહુ ગર્વ કર્યો હોવા છતાં હું શરમાતો નથી. આ અધિકાર તમને નીચે પાડવા માટે નહિ, પણ તમારી ઉન્‍નતિ માટે છે. મારા પત્રો દ્વારા હું તમને ડરાવવા માગું છું એવું નથી. કોઈ કહેશે, “પાઉલના પત્રો કડક અને અસરકારક હોય છે, પણ જ્યારે તે રૂબરૂ હાજર હોય છે, ત્યારે તે નબળો હોય છે અને તેના શબ્દો દમ વગરના હોય છે.” એવી વ્યક્તિએ સમજવું જોઈએ કે અમે દૂર હોઈએ ત્યારે અમે અમારા પત્રોમાં જે લખીએ છીએ અને તમારી સાથે હોઈએ ત્યારે જે કરીએ છીએ, એ બેમાં કંઈ જ તફાવત નથી. બહુ મહાન માનનારાઓની હરોળમાં પોતાને મૂકવાની કે તેઓની સાથે સરખાવવાની અમે હિંમત કરતા નથી. તેઓ કેવા મૂર્ખ છે! તેઓ પોતે જ પોતાનો માપદંડ બનાવે છે, અને પોતાનાં ધોરણોથી જ પોતાનો ન્યાય કરે છે! અમારી બડાઈ તો અમુક હદની બહાર જશે નહિ. ઈશ્વરે અમારે માટે નક્કી કરેલું કાર્ય, જેમાં તમારી મયેના ક્મનો પણ સમાવેશ થાય છે, તેની હદની બહાર એ બડાઈ જશે નહિ. અને તમે પણ હદની અંદર છો તેથી જ્યારે અમે સૌ પ્રથમ તમારી પાસે ખ્રિસ્તનો શુભસંદેશ લઈને આવ્યા ત્યારે તમે હદની બહાર ગયા નહિ. આમ, ઈશ્વરે ઠરાવેલી હદની બહાર બીજાએ કરેલા કાર્યની અમે બડાઈ મારતા નથી; પણ તમારો વિશ્વાસ વૃદ્ધિ પામે અને ઈશ્વરે ઠરાવી આપેલી હદ મુજબ તમારી મયે વધુ સારું કાર્ય કરવાની અમે આશા રાખીએ છીએ. તે પછી તમારાથી દૂરના બીજા પ્રદેશોમાં અમે શુભસંદેશ પ્રગટ કરી શકીશું; જેથી બીજાના કાર્યક્ષેત્રમાં થયેલ કાર્યની બડાઈ અમે મારીએ નહિ. શાસ્ત્રમાં લખેલું છે: “જો કોઈ ગર્વ કરે, તો તેણે પ્રભુના કાર્ય વિષે ગર્વ કરવો.” કારણ, જ્યારે માણસ પોતાને લાયક ગણાવે ત્યારે નહિ, પણ પ્રભુ તેને લાયક ગણે ત્યારે જ તે સ્વીકાર્ય બને છે. મારામાં થોડી મૂર્ખતા હોય તોય તમે તે સહી લેશો એવી મને આશા છે. ઈશ્વરની જેમ હું પણ તમારે માટે કાળજી રાખું છું. એક પતિ એટલે ખ્રિસ્ત સાથે લગ્ન માટે તમને પવિત્ર કુમારિકા તરીકે સોંપવા મેં વચન આપ્યું છે. જેમ સાપના ચાલાકીભર્યા જૂઠાણાથી હવા છેતરાઈ ગઈ, તેમ તમારું મન દુષિત થઈ જાય અને તમે ખ્રિસ્ત પ્રત્યેની અનન્ય અને નિખાલસ નિષ્ઠા તજી દો એવી મને બીક લાગે છે. જો કોઈ તમારી પાસે આવીને અમે પ્રગટ કર્યા નથી એવા બીજા ઈસુને પ્રગટ કરે, અથવા જે પવિત્ર આત્મા તમે પામ્યા હતા તેનાથી જુદો આત્મા પામવાની વાત કરે, અથવા જે શુભસંદેશ તમે સ્વીકારેલો તે કરતાં તમને જુદો શુભસંદેશ સંભળાવે તો એવાને તમે જલદીથી આધીન થઈ જાઓ તેવા છો. તમારા ખાસ ‘કહેવાતા પ્રેષિતો’ કરતાં હું પોતાને જરાપણ ઊતરતી કક્ષાનો માનતો નથી. જો કે હું બોલવામાં કેળવાયેલો ન હોઉં તો પણ જ્ઞાનમાં અપૂર્ણ નથી. આ વાત સર્વ સમયે અને સર્વ પરિસ્થિતિમાં અમે તમને સ્પષ્ટ જણાવી છે. મેં ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કર્યો, ત્યારે મેં તમારી પાસેથી કંઈ વળતર લીધું નહોતું. તેથી તમને મહત્ત્વ આપવાને માટે મેં મારી જાતને નમ્ર કરી, એમાં મેં કંઈ ગુનો કર્યો? તમારી મયે સેવા કરી ત્યારે મેં જાણે કે બીજી મંડળીઓને લૂંટીને નાણાકીય મદદ મેળવી હતી. વળી, હું તમારી સાથે હતો ત્યારે જરૂર હોવા છતાં મેં તમને તકલીફ આપી નહોતી. કારણ, મકદોનિયાથી આવેલા ભાઈઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી હતી. જેમ ભૂતકાળમાં તેમ ભવિષ્યમાં પણ હું કદી તમને બોજારૂપ નહિ થાઉં. મારામાં રહેલા ખ્રિસ્તના સત્યના જેવી જ સચોટતાથી હું કહું છું કે સમગ્ર આખાયામાં મારી આ બડાઈને કોઈ રોકી શકશે નહિ. હું શા માટે આવું લખું છું? શું હું તમારા પર પ્રેમ કરતો નથી? પ્રભુ જાણે છે કે, હું તમારા પર પ્રેમ કરું છું. જે કાર્ય અત્યારે હું કરું છું, તે હું કર્યા કરવાનો છું; જેથી અમે જે રીતે કાર્ય કરીએ છીએ તે જ રીતે એ બીજા “પ્રેષિતો” પણ કાર્ય કરે છે એવી બડાઈ કરવાનું તેમને કોઈ કારણ ન મળે. તેઓ સાચા નહિ પણ બનાવટી પ્રેષિતો છે. તેઓ પોતાના કાર્ય વિષે જૂઠું બોલે છે અને ખ્રિસ્તના સાચા પ્રેષિતો હોવાનો દેખાવ કરે છે. આમાં કંઈ નવાઈ નથી; કારણ, શેતાન પણ પ્રકાશનો દૂત હોવાનો દેખાવ કરે છે. તેથી તેના સેવકો સાચા સેવકો બનવાનો દંભ કરે, તો તે કંઈ મોટી વાત નથી! જેવાં તેમનાં કાર્યો તેવો જ તેમનો અંત થશે. હું ફરી જણાવું છું કે, મને કોઈએ મૂર્ખ ન ધારવો. જો તમે એમ ધારતા હો તો પછી મને મૂર્ખ તરીકે સ્વીકારો; જેથી હું પણ થોડી બડાઈ કરી શકું. હવે હું જે લખું છું, તે લખવાનું મને પ્રભુ કહેતા નથી, પણ આ બડાઈની બાબતમાં હું મૂર્ખની માફક જ વાત કરું છું. પણ દુન્યવી બાબતની બડાઈ મારનાર ઘણા છે તો હું પણ તેમ કરીશ. તમે જાતે તો બહુ ડાહ્યા છો; તેથી તો તમે મૂર્ખોનું આનંદથી સહન કરો છો. તમને તો કોઈ હુકમ કરે, તમારો લાભ ઉઠાવે, તમને સકંજામાં લે, તમારા પ્રત્યે ઘૃણા દાખવે કે ગાલ પર તમાચો મારે, તો પણ તમે તેને સહન કરો છો. અમે તો એમ કરવામાં બહુ ડરપોક હતા એવું જણાવતાં મને શરમ લાગે છે. પણ જો કોઈ કંઈ પણ વાતની બડાઈ કરે તો હું પણ કરીશ. આ તો જાણે કે હું મૂર્ખની જેમ વાત કરું છું. શું તેઓ હિબ્રૂ છે? તો હું પણ છું. શું તેઓ અબ્રાહામના વંશજો છે? તો હું પણ છું. શું તેઓ ઇઝરાયલીઓ છે? તો હું પણ છું. શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? જો કે હું પાગલ જેવો લાગું, છતાં કહીશ કે, તેમના કરતાં હું ચડિયાતો સેવક છું! મેં સખત ક્મ કર્યું છે, વધુ વખત જેલમાં રહ્યો છું, ઘણીવાર મને ફટકા પડયા છે અને ઘણીવાર હું મરણની સાવ નજીક પહોંચ્યો છું. યહૂદીઓએ પાંચ વાર મને ઓગણચાળીસ ફટકા માર્યા છે, ત્રણ વાર મને રોમનોએ ફટકા માર્યા છે, એક વાર મને પથ્થરે મારવામાં આવ્યો હતો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું હતું, અને એક વાર મેં ચોવીસ કલાક પાણીમાં જ વિતાવ્યા હતા. મારી ઘણી મુસાફરીઓમાં મને નદીઓનાં પૂરનું અને લૂંટારાઓનું જોખમ હતું, યહૂદી અને બિનયહૂદીઓનો ભય હતો; શહેરોનું, જંગલોનું, દરિયાનું અને જૂઠા મિત્રોનું જોખમ મેં વેઠયું છે. મેં મહેનત મજૂરી કરી છે, ઘણીવાર ઉજાગરા વેઠયા છે, હું ભૂખ્યો અને તરસ્યો રહ્યો છું, ઘણીવાર પૂરતો ખોરાક, આશરો કે કપડાં મળ્યાં નથી. આવી બીજી બધી બાબતો ઉપરાંત દરરોજ સર્વ મંડળીઓની ચિંતાનો બોજ તો રહ્યો જ છે. જો કોઈ નબળું હોય, તો હું પણ નબળાઈ અનુભવું છું. જો કોઈ કોઈને પાપમાં પાડે છે, તો મારો જીવ બળે છે. જો મારે બડાઈ કરવાની જ હોય, તો હું મારી નિર્બળતા વિષે જ બડાઈ કરીશ. ઈશ્વર અને પ્રભુ ઈસુના પિતા, જેમનું નામ સદા ધન્ય હો, તે જાણે છે કે હું જૂઠું બોલતો નથી. જ્યારે હું દમાસ્ક્સમાં હતો, ત્યારે આરેતાસ રાજાના હાથ નીચેના રાજ્યપાલે મારી ધરપકડ કરવાને માટે શહેરના દરવાજાઓએ ચોકીપહેરો મૂક્યો હતો. પણ કોટ પરની બારીમાંથી મને ટોપલાની મારફતે નીચે ઉતારી દેવામાં આવ્યો, અને હું તેના હાથમાંથી છટકી ગયો હતો. જો કે બડાઈ કરવાથી કંઈ ફાયદો નથી, છતાં હું ગર્વ કરીશ. પ્રભુએ મને જે સંદર્શનો અને પ્રક્ટીકરણો આપ્યાં છે તે વિષે હું જણાવીશ. ખ્રિસ્તમાં હું એક એવા માણસને ઓળખું છું કે જેને ચૌદ વર્ષ પહેલાં છેક ત્રીજા આકાશમાં લઈ લેવામાં આવ્યો હતો. (શરીરસહિત કે શરીર બહાર એની મને ખબર નથી, પણ ઈશ્વર જાણે છે.) હું ફરી જણાવું છું કે, આ માણસને પારાદૈસમાં લઈ લેવામાં આવ્યો હતો, (શરીરસહિત કે શરીર બહાર એની મને ખબર નથી, પણ ઈશ્વર જાણે છે.) અને ત્યાં તેણે માણસોથી બોલી શકાય નહિ એવી એવી વાતો સાંભળી. આથી એ માણસ વિષે હું ગર્વ કરીશ - પણ હું મારાં પોતાનાં વખાણ કરીશ નહિ, ફક્ત હું કેટલો નબળો છું તે જણાવતી બાબતો વિષે જ હું ગર્વ કરીશ. જો હું ગર્વ કરવાનું વિચારું, તો હું મૂર્ખ નથી, કારણ, હું સત્ય જણાવું છું. તેમ છતાં હું ગર્વ નહિ કરું; કારણ, મને સાંભળનાર ને મારું કાર્ય જોનાર મારે વિષે જે મંતવ્ય ધરાવતો હોય તેથી તે વિશેષ ધરાવે એવું હું ઇચ્છતો નથી. મેં ઘણી અદ્‍ભુત બાબતો જોઈ હોવાથી હું ગર્વિષ્ઠ બની ન જાઉં, માટે શેતાનના સંદેશવાહક તરીકે કાર્ય કરતો એક દર્દજનક ક્ંટો મને મારા શરીરમાં આપવામાં આવ્યો હતો; જેથી તે મને ડંખ્યા કરે તથા મને ગર્વિષ્ઠ થતાં રોકે. ત્રણવાર આ સંબધી મેં પ્રભુને પ્રાર્થના કરી અને તે દૂર કરવા વિનંતી કરી. પણ તેમણે મને કહ્યું, “મારી કૃપા તારે માટે પૂરતી છે. કારણ, તારી નિર્બળતામાં મારું સામર્થ્ય સંપૂર્ણ રીતે પ્રગટ થાય છે.” મારી કોઈપણ નિર્બળતામાં ગર્વ કરતાં હું આનંદ અનુભવું છું; એ માટે કે મારા પરના ખ્રિસ્તના પરાક્રમના રક્ષણનો મને અનુભવ થાય. ખ્રિસ્તને લીધે હું નિર્બળતા, અપમાન, પરિશ્રમ, સતાવણીઓ અને મુશ્કેલીઓમાં સંતોષ માનું છું; કારણ, જ્યારે હું નિર્બળ છું, ત્યારે જ હું બળવાન છું. હું મૂર્ખની જેમ વર્તી રહ્યો છું, પણ તમે મને તેમ કરવા ફરજ પાડી છે. તમારે પ્રથમ મારો સ્વીકાર કરવો જોઈએ, કારણ, જો કે હું કંઈ વિસાતમાં ન હોઉં, તોપણ તમારા કહેવાતા ખાસ “પ્રેષિતો” કરતાં હું કોઈ રીતે ઊતરતો નથી. પૂરી ધીરજથી તમારી મયે કરેલું કાર્ય જ મારા પ્રેષિતપણાને પુરવાર કરે છે; તેમાં તો ચિહ્નો, અદ્‍ભુત કૃત્યો અને ચમત્કારોનો સમાવેશ થાય છે. મેં બીજી મંડળીઓ કરતાં શું તમને વધારે પરેશાન કર્યા હતા? તમારી પાસેથી મદદ મેળવવાની મેં આશા રાખી નહિ એટલું જ ને! જો એથી મેં તમને દુ:ખી કર્યા હોય, તો મારો એટલો અપરાધ માફ કરજો. આ ત્રીજી વાર તમારી મુલાકાત લેવાને માટે હું તૈયાર છું, અને તમારી પાસેથી હું કંઈ મેળવવાની આશા રાખતો નથી. હું તો તમારું દ્રવ્ય નહિ, પણ તમને મેળવવાની ઇચ્છા ધરાવું છું. ખરી રીતે તો બાળકો તેમનાં માતાપિતાના ભરણપોષણની જોગવાઈ કરતાં નથી, પણ માતાપિતા તેમનાં બાળકો માટે જોગવાઈ કરે છે. તમને મદદ કરવા માટે હું આનંદથી મારું સર્વસ્વ ખર્ચી નાખીશ. હા, મારી જાત પણ ખર્ચી નાખીશ! તમારા પર હું પુષ્કળ પ્રેમ કરું છું ત્યારે તમે મારા પર ઓછો પ્રેમ રાખશો? આમ, હું તમારે માટે બોજારૂપ નહોતો, એ વાત સાથે તમે સંમત થશો. પણ કોઈ એવું કહેશે કે મેં ચાલાકી વાપરીને અને જૂઠું બોલીને તમને ફસાવ્યા. પણ કેવી રીતે? તમારી પાસે સંદેશવાહકો મોકલીને મેં તમારો કોઈ લાભ ઉઠાવ્યો છે? તિતસને મેં ત્યાં આવવાની વિનંતી કરી અને બીજા એક ભાઈને તેની સાથે મોકલ્યો. શું તમે એમ કહેશો કે તિતસે તમારો લાભ ઉઠાવ્યો? શું હું અને તે એક જ હેતુસર અને એક જ રીતે વર્ત્યા નથી? કદાચ તમને લાગશે કે, અમે અમારો બચાવ કરવાનો યત્ન કરીએ છીએ. પણ ના, અમે તો ઈશ્વરની સમક્ષ ખ્રિસ્તને અનુરૂપ વાત કરીએ છીએ. એ બધું તમારી ઉન્‍નતિને માટે જ છે. મને ભય લાગે છે કે, જ્યારે હું તમારી મુલાકાત લઈશ, ત્યારે જેવા મારે તમને જોવા છે તેવા તમે નહિ હો; અને તમે મને જેવો જોવા માગો છો, તે કરતાં હું જુદો હોઈશ! મને ભય છે કે કદાચ મને ઝઘડા, અદેખાઈ, ક્રોધ, પક્ષાપક્ષી, અપમાન, કપટ, અભિમાન અને અવ્યવસ્થા જોવા મળશે. મને દહેશત છે કે, જ્યારે હું ફરીવાર તમારી મુલાકાત લઈશ, ત્યારે તમારી હાજરીમાં ઈશ્વર મને શરમિંદો કરી દેશે અને જેમણે અગાઉ પાપ કર્યાં છે અને પોતાનાં જાતીય પાપ અને વાસનાભર્યાં કૃત્યોનો પસ્તાવો કર્યો નથી, તેમને માટે મારે શોક કરવો પડશે. આ ત્રીજીવાર હું તમારી મુલાકાત લેવાનો છું. “કોઈપણ આરોપ બે અથવા ત્રણ સાક્ષીથી પુરવાર થવો જોઈએ,” એવું શાસ્ત્રમાં લખેલું છે. જેમણે અગાઉ પાપ કર્યાં હતાં તેમને અને બાકીનાં બીજાં બધાંને હું ચેતવણી આપવા માગું છું. આ અગાઉ મારી બીજી મુલાકાત દરમિયાન પણ મેં ચેતવણી આપી હતી, અને ફરી હું જ્યારે તમારાથી દૂર છું ત્યારે પણ ચેતવું છું. હવે પછી હું આવીશ ત્યારે શિક્ષામાંથી કોઈ બચી શકશે નહિ. ખ્રિસ્ત મારી મારફતે બોલે છે એ વિષેની તમારે જોઈતી બધી સાબિતીઓ તમને મળશે. જ્યારે તે તમારી સાથે વ્યવહાર કરે છે, ત્યારે તે નિર્બળ નથી પણ તમારી મયે તે પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે. કારણ, જો કે ઈસુને ક્રૂસ પર નિર્બળતામાં મારી નાખવામાં આવ્યા, તો પણ ઈશ્વરના સામર્થ્યથી તે જીવે છે. આમ, તેમની જેમ અમે પણ તેમનામાં નિર્બળ છીએ, પણ તમારા લાભાર્થે ઈશ્વરના સામર્થ્યથી અમે તેમની સાથે જીવીશું. તમારામાં વિશ્વાસ છે કે નહિ એની પરીક્ષા તમે જાતે જ કરો. જો તમે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા ન હો, તો શું તમને ચોક્કસ ખબર છે કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે? મારો ભરોસો છો કે, અમે નિષ્ફળ ગયા નથી તેની તમને ખબર પડશે. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈ ખોટું ન કરો. અમે સફળ થયા છીએ એમ બતાવી શકાય એટલા માટે નહિ, પણ અમે નિષ્ફળ ગયા હોઈએ તેમ લાગતું હોય તો ય તમે સર્ત્ક્યો કર્યા કરો. કારણ, સત્યની વિરુદ્ધ નહિ પણ તેના સમર્થનને માટે અમે કંઈ કરી શકીએ. જ્યારે અમે નિર્બળ હોઈએ અને તમે બળવાન હો, ત્યારે અમે આનંદ પામીએ છીએ. તમે સંપૂર્ણ થાઓ એવી અમારી પ્રાર્થના છે. તેથી જ તમારાથી દૂર હોવા છતાં, હું આ લખું છું; જેથી જ્યારે હું ત્યાં આવું, ત્યારે પ્રભુએ મને આપેલા અધિકારનો ઉપયોગ કરીને મારે સખતાઈથી ક્મ લેવું ન પડે. આ અધિકાર તો તમને તોડી પાડવા નહિ, પણ તમારી ઉન્‍નતિ કરવાને માટે છે. હવે, ભાઈઓ, આવજો! પરિપૂર્ણ થવાના પ્રયાસ જારી રાખો, મારી સલાહને ધ્યાનમાં લો, એક દિલના થાઓ, શાંતિમાં જીવન ગાળો, પ્રેમ તથા શાંતિના દાતા ઈશ્વર તમારી સાથે રહેશે. ભ્રાતૃભાવના પ્રતીકરૂપ ચુંબનથી એકબીજાને શુભેચ્છા પાઠવજો. ઈશ્વરના સર્વ લોકો તમને શુભેચ્છા પાઠવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વરનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હો. આ પત્ર હું પાઉલ લખાવું છું. મને પ્રેષિત થવાનું આમંત્રણ કોઈ માણસ તરફથી કે માણસ દ્વારા નહિ, પણ ઈસુ ખ્રિસ્ત તથા તેમને સજીવન કરનાર ઈશ્વરપિતા તરફથી મળ્યું છે. હું અને મારી સાથેના સર્વ ભાઈઓ ગલાતિયા પ્રાંતની મંડળીઓને શુભેચ્છા પાઠવીએ છીએ. ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ બક્ષો. હાલના આ દુષ્ટ જમાનામાંથી આપણને સ્વતંત્ર કરવા માટે ખ્રિસ્તે આપણાં પાપને કારણે આપણા ઈશ્વરપિતાની ઇચ્છાને આધીન થઈને પોતાનું અર્પણ કર્યું છે. ઈશ્વરનો યુગાનુયુગ મહિમા થાઓ! આમીન. મને તમારા વર્તનથી નવાઈ લાગે છે! જેમણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેમને તરછોડીને તમે બીજા શુભસંદેશ તરફ બહુ જલદી ફરી ગયા છો. હકીક્તમાં કોઈ “બીજો શુભસંદેશ” છે જ નહિ; પરંતુ કેટલાક લોકો તમને હેરાન કરે છે અને ખ્રિસ્તના શુભસંદેશને બદલી નાખે છે. પણ જો અમે અથવા સ્વર્ગમાંથી આવેલો કોઈ દૂત પણ અમે સંભળાવેલા શુભસંદેશ કરતાં અલગ શુભસંદેશ તમને સંભળાવે, તો તેના પર શાપ ઊતરો. અમે અગાઉ જણાવ્યું છે, અને હું હવે ફરી જણાવું છું: તમે સ્વીકારેલા શુભસંદેશ કરતાં કોઈ તમને જુદો શુભસંદેશ સંભળાવે, તો તેના પર શાપ ઉતરશે. શું હું માણસોની અનુમતિ પ્રાપ્ત કરી લેવા માગું છું કે ઈશ્વરની? શું હું માણસોને પ્રસન્‍ન કરવા માગું છું? જો હું હજુ પણ એમ જ કરતો હોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી. મારા ભાઈઓ, મને કહેવા દો કે મેં પ્રગટ કરેલો શુભસંદેશ માનવીય નથી. મને તે કોઈ માણસ પાસેથી મળ્યો નથી, કે નથી મને કોઈએ તેને વિષે શીખવ્યું. ઈસુ ખ્રિસ્તે પોતે જ મને તે પ્રગટ કર્યો છે. જ્યારે હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારે મારું વર્તન કેવું હતું તે વિષે તો તમે સાંભળ્યું હશે. મેં તે વખતે ઈશ્વરની મંડળીની ક્રૂર સતાવણી કરી હતી, અને તેનો નાશ કરવા મેં મારાથી બનતો બધો જ પ્રયત્ન કર્યો હતો. મારા પૂર્વજોની પ્રણાલિકાઓને હું ચુસ્તપણે વળગી રહ્યો હતો, અને યહૂદી ધર્મના પાલનમાં મારા ઘણા સાથી યહૂદીઓ કરતાં મેં વધારે પ્રગતિ કરી હતી. પણ મારો જન્મ થયા પહેલાં ઈશ્વરે તેમની કૃપામાં મને પસંદ કર્યો હતો અને તેમની સેવા કરવા માટે મને અલગ કર્યો છે. ઈસુ વિષેનો શુભસંદેશ હું બિનયહૂદીઓને પ્રગટ કરું માટે તેમણે પોતાના પુત્રને મારામાં પ્રગટ કરવાનું નક્કી કર્યું ત્યારે મેં કોઈની પણ સલાહ લીધી નહિ. બલ્કે, મારી પહેલાંના પ્રેષિતોને મળવા હું યરુશાલેમમાં પણ ગયો નહિ, પણ તરત જ અરબસ્તાન ચાલ્યો ગયો, અને પછી દમાસ્ક્સ પાછો ફર્યો. ત્રણ વર્ષ પછી હું પિતરને મળવા યરુશાલેમ ગયો અને તેની સાથે પંદર દિવસ રહ્યો. ત્યારે પણ પ્રભુના ભાઈ યાકોબ સિવાય બીજા કોઈ પ્રેષિતને હું મળ્યો નહોતો. ઈશ્વર મારા સાક્ષી છે કે હું જે લખું છું તે સાચું છે; હું જૂઠું કહેતો નથી. ત્યાર પછી હું સિરિયા અને કિલીકિયાના પ્રદેશોમાં ગયો હતો. તે સમયે યહૂદિયાની ખ્રિસ્તી મંડળીઓના સભ્યો મને વ્યક્તિગત રીતે ઓળખતા નહોતા. તેઓ માત્ર આટલું જ જાણતા હતા: “આપણને પહેલાં સતાવનાર માણસ જે વિશ્વાસને એકવાર નષ્ટ કરવાનો પ્રયત્ન કરતો તેને હવે તે પ્રગટ કરે છે.” આમ મારે લીધે તેમણે ઈશ્વરની સ્તુતિ કરી. ફરીથી ચૌદ વર્ષ પછી હું બાર્નાબાસ સાથે યરુશાલેમ પાછો ગયો. તે વખતે હું તિતસને પણ મારી સાથે લઈ ગયો હતો. મારે ત્યાં જવું જ જોઈએ એવું ઈશ્વરે મને પ્રગટ કર્યું હોવાથી હું ગયો હતો. પ્રતિષ્ઠિત આગેવાનો સાથેની ખાનગી સભામાં હું બિનયહૂદીઓને જે શુભસંદેશ પ્રગટ કરું છું તે મેં તેમને સમજાવ્યો કે જેથી મારું ભૂતકાળનું અને હાલનું સેવાકાર્ય નક્મું ન જાય. ત્યારે પણ મારો સાથીદાર તિતસ ગ્રીક હોવા છતાં તેની સુન્‍નત કરાવવાની ફરજ પાડી નહોતી. જોકે ભાઈઓ હોવાનો ડોળ કરતા અને સંગતમાં જોડાયેલા કેટલાક માણસો તેની સુન્‍નત કરાવવા માગતા હતા. આ લોકો જાસૂસની માફક સંગતમાં ધૂસી ગયા છે, અને આપણે ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી આપણને મળેલી સ્વતંત્રતાની બાતમી મેળવવા માગે છે. તેઓ આપણને ફરીથી બંધનમાં લાવવા માગે છે. પણ તમારે માટે શુભસંદેશનું સત્ય જળવાઈ રહે તે માટે, અમે તેમની વાત સાથે જરાપણ સંમત થયા નહિ. પ્રતિષ્ઠિત આગેવાનો તરીકે ગણાતા લોકોના દરજ્જાની મને કંઈ પડી છે એવું નથી, કારણ, ઈશ્વરની પાસે કંઈ ભેદભાવ નથી. પણ મારું કહેવું એ છે કે, હું જે શુભસંદેશ પ્રગટ કરું છું તેમાં તે આગેવાનોએ કંઈ વિશેષ ઉમેરવાનું ન હતું. એથી ઊલટું, તેમને ખબર પડી કે, ઈશ્વરે જેમ યહૂદીઓને શુભસંદેશ પ્રગટ કરવાનું કાર્ય પિતરને સોંપ્યું હતું, તેમ બિનયહૂદીઓ મયે શુભસંદેશ પ્રગટ કરવાનું કાર્ય તેમણે મને સોંપ્યું છે. જેમ પિતરને ઈશ્વરની શક્તિથી યહૂદીઓનો પ્રેષિત બનાવવામાં આવ્યો, તેમ મને બિનયહૂદીઓનો પ્રેષિત બનાવવામાં આવ્યો છે. આમ, મંડળીના સ્તંભરૂપ ગણાતા યાકોબ, પિતર અને યોહાનને ખાતરી થઈ કે ઈશ્વરે મને આ ખાસ કાર્ય સોંપ્યું છે અને તેથી તેમણે બાર્નાબાસનો અને મારો સત્કાર કર્યો. સહકાર્યકરો તરીકે અમે સૌ સંમત થયા કે અમારે બિનયહૂદીઓ મયે કાર્ય કરવું અને તેઓ યહૂદીઓ મયે કાર્ય કરે. તેમણે એટલું જ કહ્યું કે ગરીબોની જરૂરિયાતો લક્ષમાં રાખજો અને હું પણ એ માટે અથાગ પ્રયત્નો કરતો રહ્યો છું. જ્યારે પિતર અંત્યોખ આવ્યો ત્યારે તે દેખીતી રીતે જ ખોટો હતો. આથી મેં જાહેરમાં તેનો વિરોધ કર્યો. યાકોબે મોકલેલા કેટલાક માણસો ત્યાં આવી પહોંચ્યા તે પહેલાં પિતર બિનયહૂદી ખ્રિસ્તીઓ સાથે ભોજન લેતો હતો. પણ જ્યારે એ માણસો આવી પહોંચ્યા, ત્યારે તે પાછો હઠી ગયો અને તેમની સાથે ભોજન લેવાનું બંધ કર્યું. કારણ, બિનયહૂદીઓની પણ સુન્‍નત થવી જોઈએ એવું મંતવ્ય ધરાવનારાઓની તેને બીક લાગી. પિતરની સાથે સાથે બીજા યહૂદી ખ્રિસ્તીઓ પણ દંભ કરવા લાગ્યા અને તેમના આ દંભથી બાર્નાબાસ પણ તેમની તરફ ખેંચાઈ ગયો. જ્યારે મેં જોયું કે તેઓ શુભસંદેશના સત્ય પ્રમાણેના માર્ગે ચાલતા નથી, ત્યારે સૌના સાંભળતાં મેં પિતરને કહ્યું, “તું યહૂદી હોવા છતાં યહૂદીઓની જેમ નહિ, પણ બિનયહૂદીઓની માફક જીવે છે; તો પછી તું બિનયહૂદી ખ્રિસ્તીઓને યહૂદીઓની માફક જીવવાની ફરજ કેમ પાડે છે?” ખરેખર, આપણે જન્મથી યહૂદી છીએ, અને પાપી કહેવાતા બિનયહૂદી નથી. છતાં આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવા દ્વારા નહિ, પણ ફક્ત ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા દ્વારા જ માણસ ઈશ્વર સાથે સુમેળભર્યા સંબંધમાં આવી શકે છે. તેથી ઈસુ ખ્રિસ્ત પરના આપણા વિશ્વાસ દ્વારા આપણને ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવે તે માટે આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે. કારણ, નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી કોઈ માણસ ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થતો નથી. આપણે પણ ખ્રિસ્તમાં મેળવાવા દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવા ચાહીએ છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આપણે પણ બિનયહૂદીઓ જેટલા જ પાપી છીએ. તો શું એનો અર્થ એવો થાય કે ખ્રિસ્ત પાપના પ્રેરક છે? ના, કદી જ નહિ મેં જેને તોડી પાડયું છે, તેને હું ફરી સમારું, તો હું નિયમભંગ કરનાર પુરવાર થાઉં છું. હું ઈશ્વરને માટે જીવી શકું તે માટે હું નિયમ દ્વારા મરેલો છું. ખ્રિસ્તની સાથે હું ક્રૂસે મારી નંખાયો છું. તેથી હવેથી હું જીવતો નથી, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. હાલ જે જીવન હું જીવું છું તે ઈશ્વરપુત્ર પર વિશ્વાસ કરવા દ્વારા જ જીવું છું; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું જીવન અર્પી દીધું. હું ઈશ્વરની કૃપાનો નકાર કરતો નથી. નિયમશાસ્ત્રના પાલનથી માણસ ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈ શક્તો હોય, તો ખ્રિસ્તના મરણનો કશો જ અર્થ નથી. ઓ મૂર્ખ ગલાતીઓ! તમારી સમક્ષ ક્રૂસ પર મૃત્યુ પામેલ ઈસુ ખ્રિસ્તને આબેહૂબ રીતે રજૂ કરવામાં આવ્યા હતા, તો પછી તમને ભરમાવ્યા કોણે? આ એક જ વાત મને જણાવો: નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી તમે ઈશ્વરનો આત્મા પ્રાપ્ત કર્યો કે પછી શુભસંદેશ સાંભળીને તે પર વિશ્વાસ કરવાથી? શું તમે સાવ મૂર્ખ છો? ઈશ્વરના આત્મા દ્વારા શરૂઆત કરીને તમે હવે તમારી માનવીય શક્તિથી પૂર્ણ થવા માગો છો? તમારા સર્વ અનુભવોનો શું કોઈ જ અર્થ નથી? ના, ના, તેમનો જરૂર કંઈક અર્થ છે. તમે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરી તેથી ઈશ્વરે તમને પવિત્ર આત્મા આપ્યો અને તમારી મયે ચમત્કારો કર્યા કે પછી શુભસંદેશ સાંભળીને તે પર વિશ્વાસ કર્યો તેથી એમ બન્યું? અબ્રાહામને લક્ષમાં લો: “તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને એને લીધે ઈશ્વરે સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે તેનો સ્વીકાર કર્યો.” એ પરથી તમારે સમજવું જોઈએ કે વિશ્વાસ ધરાવનાર લોકો જ અબ્રાહામના સાચા વંશજો છે. ઈશ્વર બિનયહૂદીઓનો પણ વિશ્વાસ દ્વારા સુમેળમાં આવેલી વ્યક્તિઓ તરીકે સ્વીકાર કરશે એવું અગાઉથી જોઈને શાસ્ત્રમાં અબ્રાહામને પહેલેથી જ શુભસંદેશ પ્રગટ કરવામાં આવ્યો હતો: “તારી મારફતે બધી પ્રજાઓ ઈશ્વરની આશિષ પામશે.” અબ્રાહામે વિશ્વાસ કર્યો અને તેને આશિષ મળી. તે જ પ્રમાણે વિશ્વાસ કરનાર બધાને અબ્રાહામના જેવી આશિષ મળે છે. જેઓ નિયમશાસ્ત્રને આધીન થવા પર આધાર રાખે છે તેઓ શાપિત છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે, “નિયમશાસ્ત્રમાં જે કંઈ લખેલું છે તે બધું જે હંમેશાં પાળતો નથી, તે ઈશ્વરના શાપ નીચે છે!” કોઈ માણસ નિયમશાસ્ત્રની મારફતે ઈશ્વરની સમક્ષ સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થતો નથી તે હવે સ્પષ્ટ છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “વિશ્વાસ દ્વારા ઈશ્વર સાથે સુમેળમાં આવેલ વ્યક્તિ જીવશે.” પણ નિયમશાસ્ત્રનો આધાર વિશ્વાસ પર નથી. એથી ઊલટું, શાસ્ત્રમાં લખેલું છે: “નિયમશાસ્ત્રની બધી જ માગણીઓ પૂરી કરનાર માણસ નિયમશાસ્ત્રથી જીવન પામશે.” ખ્રિસ્તે આપણે માટે શાપિત થઈને નિયમશાસ્ત્રના શાપથી આપણો ઉદ્ધાર કર્યો છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ વૃક્ષ પર ટંગાયેલો છે તે ઈશ્વરના શાપ નીચે છે.” એ પ્રમાણે ખ્રિસ્તે આપણો ઉદ્ધાર કર્યો છે; જેથી ઈશ્વરે અબ્રાહામને આપેલી આશિષ, ઈસુ ખ્રિસ્તની મારફતે બિનયહૂદીઓને પણ પ્રાપ્ત થાય અને વિશ્વાસ કરવા દ્વારા જેનું વચન અપાયું છે તે પવિત્ર આત્મા આપણે પ્રાપ્ત કરીએ. ભાઈઓ, તો હું વ્યાવહારિક ઉદાહરણ આપું: જ્યારે બે વ્યક્તિ કોઈ બાબત સંબંધી સંમત થાય અને કરારનામા પર સહી કરે, ત્યાર પછી કોઈ તેને તોડી શકતું નથી કે તેમાં ઉમેરો કરી શકતું નથી. હવે ઈશ્વરે તેમનાં વરદાન અબ્રાહામ અને તેના વંશજને આપ્યાં હતાં. “અને તારાં વંશજોને” એટલે કે, ઘણા લોકને એવું શાસ્ત્રમાં લખેલું નથી. પણ શાસ્ત્રમાં લખેલું છે, “અને તારા વંશજને” જેનો અર્થ ફક્ત એક વ્યક્તિને એવો થાય છે, અને એ વ્યક્તિ તો ખ્રિસ્ત છે. મારો કહેવાનો અર્થ આ છે: ઈશ્વરે એક કરાર કર્યો અને તે પાળવાનું વરદાન આપ્યું. હવે ચારસો ત્રીસ વર્ષ પછી આવેલું નિયમશાસ્ત્ર ઈશ્વરના એ કરારને તોડી શકે નહિ કે તેમના વરદાનને રદબાતલ કરી શકે નહિ. કારણ, જો ઈશ્વરદત્ત વારસાનો આધાર નિયમશાસ્ત્ર પર હોય, તો પછી તેનો આધાર વરદાન પર નથી. પણ હકીક્તમાં ઈશ્વરે તો અબ્રાહામને એ વારસો વરદાનથી આપેલ છે. તો પછી નિયમશાસ્ત્ર આપવાનો હેતુ શો છે? ઉલ્લંઘનોનું ભાન કરાવવા માટે તેને પાછળથી ઉમેરવામાં આવ્યું હતું અને આપવામાં આવેલા વરદાન પ્રમાણે અબ્રાહામનો વંશજ આવે નહિ ત્યાં સુધી નિયમશાસ્ત્રે એ કાર્ય કરવાનું હતું. નિયમશાસ્ત્ર તો દૂતોની મારફતે મયસ્થ દ્વારા આપવામાં આવ્યું હતું. પણ હવે જ્યાં એક વ્યક્તિ સંકળાયેલી હોય ત્યાં મયસ્થની જરૂર નથી, અને ઈશ્વર એક જ છે. શું આનો અર્થ એવો થાય કે નિયમશાસ્ત્ર ઈશ્વરના વરદાનની વિરુદ્ધ છે? ના, એવું નથી. કારણ, જો નિયમની મારફતે માણસોને જીવન મળતું હોય તો નિયમની મારફતે માણસ ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવી શક્ત. પણ શાસ્ત્રમાં લખેલું છે કે, સમગ્ર દુનિયા પાપની સત્તા નીચે છે. તેથી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જે વરદાનો મળે છે તે તો વિશ્વાસ કરનારાઓને જ પ્રાપ્ત થાય છે. વિશ્વાસનો સમય આવ્યો તે પહેલાં નિયમશાસ્ત્રે આપણને કેદીઓ જેવા રાખ્યા. આમ, ખ્રિસ્ત આવ્યા ત્યાં સુધી આપણે નિયમશાસ્ત્રના વાલીપણા હેઠળ હતા; જેથી તે પછી આપણે વિશ્વાસ દ્વારા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવીએ. પણ હવે વિશ્વાસનો સમય આવ્યો છે તેથી આપણે નિયમશાસ્ત્રના નિયંત્રણ હેઠળ નથી. વિશ્વાસની મારફતે જ તમે સર્વ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી ઈશ્વરના પુત્રો છો. ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધમાં તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું છે; તેથી તમે ખ્રિસ્તનું જીવન અપનાવી લીધું છે. આમ, યહૂદી કે બિનયહૂદી, ગુલામ કે સ્વતંત્ર, પુરુષ કે સ્ત્રી વચ્ચે હવે કોઈ ભેદભાવ નથી; કારણ, ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે સૌ એક છો. જો તમે ખ્રિસ્તના છો, તો તમે અબ્રાહામના વંશજ પણ છો, અને ઈશ્વરે આપેલા વરદાન પ્રમાણે તમે વારસો પણ પ્રાપ્ત કરશો. મારા કહેવાનો અર્થ એ છે કે, વારસ જ્યારે સગીર હોય છે ત્યારે જો કે સર્વ મિલક્ત પર તેની માલિકી છે અને તેના પિતાનો વારસો તેને જ મળવાનો છે, તો પણ તે જાણે કે ગુલામ હોય તે રીતે તેને રાખવામાં આવે છે. જ્યાં સુધી તે સગીર છે અને તેના પિતાએ ઠરાવેલ સમય આવે ત્યાં સુધી બીજા માણસો તેની સંભાળ લે છે, અને તેનો કારભાર ચલાવે છે. તે જ પ્રમાણે જ્યાં સુધી આપણે આત્મિક પરિપકવતા સુધી પહોંચ્યા નહોતા ત્યાં સુધી સગીર હતા, અને દુનિયાદારીના તાત્વિક સિદ્ધાંતોના ગુલામ હતા. પણ નિયત સમયે ઈશ્વરે પોતાના પુત્રને મોકલ્યા. તે સ્ત્રીથી જનમ્યા, અને યહૂદી તરીકે જનમ્યા હોવાથી નિયમશાસ્ત્ર પ્રમાણે જીવન જીવ્યા; જેથી આપણે નિયમશાસ્ત્રના નિયંત્રણમાંથી મુક્ત થઈને ઈશ્વરના પુત્રો બનીએ. તમે ઈશ્વરના પુત્રો છો તેની પ્રતીતિ માટે ઈશ્વરે તેમના પુત્રનો પવિત્ર આત્મા તમારાં હૃદયોમાં મોકલ્યો છે. એ આત્મા, “પિતા, મારા પિતા” એવો ઉદ્ગાર કાઢે છે. આથી તમે હવે ગુલામ નથી, પણ પુત્રો છો અને તમે પુત્રો છો, તેથી ઈશ્વરે પોતાના પુત્રોને માટે જે કંઈ વારસો રાખ્યો છે, તે સર્વ તમને મળશે. ભૂતકાળમાં તમે ઈશ્વરને ઓળખતા નહોતા; તેથી જેઓ ખરેખર ઈશ્વર નથી તેના તમે ગુલામ હતા. પણ હવે તમે ઈશ્વરને ઓળખો છો, અથવા હું કહીશ કે ઈશ્વર તમને ઓળખે છે. તો પછી તમે નબળા અને કંગાલ એવા દુનિયાદારીના તાત્વિક સિદ્ધાંતોને કેમ અનુસરવા ચાહો છો? તમે ફરીવાર તેમના ગુલામ કેમ બનવા માગો છો? તમે કેટલાક દિવસો, મહિનાઓ, ઋતુઓ અને વર્ષોને ખાસ મહત્ત્વ આપો છો. તમારે વિષે મને ચિંતા થાય છે! તમારે માટે કરેલું મારું સેવાકાર્ય શું નિષ્ફળ જશે? મારા ભાઈઓ, હું જેમ તમારા જેવો બન્યો છું તેમ તમે પણ મારા જેવા બનો એવી મારી વિનંતી છે. તમે કંઈ મારું કશું બગાડયું નથી. તમને યાદ હશે કે તમને શુભસંદેશ જણાવવા હું તમારી પાસે સૌ પ્રથમ આવ્યો ત્યારે તો હું બીમાર હતો. મારી બીમારીને લીધે તમે કટોકટીમાં મૂક્યા, છતાં તમે મારો તિરસ્કાર કર્યો નહિ કે મને કાઢી મૂક્યો નહિ. એને બદલે, હું જાણે કે ઈશ્વરનો દૂત હોઉં અથવા ખુદ ખ્રિસ્ત ઈસુ હોઉં તેમ તમે મારો આદરસત્કાર કર્યો. ત્યારે તમે કેવા ઉત્સાહી હતા! તો એ સદ્ભાવના ક્યાં ગઈ? કારણ, તમારે વિષે તો હું એવી સાક્ષી આપું છું કે મારે માટે તમારી આંખો કાઢી આપવાનું શકાય હોત તો તમે તેય કાઢી આપો એટલા તત્પર હતા. તો હવે તમને સત્ય જણાવવાને લીધે હું તમારો દુશ્મન બન્યો છું? તેઓ તમારું ખૂબ ધ્યાન રાખે છે; પણ તેમનો ઇરાદો સારો નથી. એ તો હું તમારાથી અલગ પડી જાઉં અને તમે તેમના પ્રત્યે ખૂબ ધ્યાન રાખતા થાઓ તે માટે એમ કરે છે. હું તો એવું ઇચ્છું છું કે હું તમારી સાથે ન હોઉં ત્યારે પણ જો કોઈ તમારું સારા ઈરાદાથી ધ્યાન રાખે તો કેવું સારું! મારાં પ્રિય બાળકો, તમારામાં ખ્રિસ્તની પ્રતિમા ઉત્પન્‍ન થાય, ત્યાં સુધી પ્રસવવેદના જેવી વેદના મને તમારે માટે ફરીથી થાય છે. આ ઘડીએ હું તમારી સાથે હોત તો કેવું સારું! એથી હું તમારી સાથે જુદું વર્તન દાખવી શક્ત. કારણ, તમારે વિષે મને પુષ્કળ ચિંતા થાય છે. જેઓ નિયમશાસ્ત્રને આધીન રહેવા માગે છે તેમને હું આ પ્રશ્ર્ન પૂછવા માગું છું: નિયમશાસ્ત્ર જે કહે છે તે તમે સાંભળતા નથી? તેમાં લખેલું છે કે, અબ્રાહામને બે પુત્રો હતા. એક પુત્ર ગુલામ સ્ત્રીથી જન્મેલો હતો, અને બીજો પુત્ર સ્વતંત્ર સ્ત્રીથી જન્મેલો હતો. ગુલામ સ્ત્રીનો પુત્ર કુદરતી રીતે જન્મેલો હતો, પણ સ્વતંત્ર સ્ત્રીનો પુત્ર ઈશ્વરના વરદાન પ્રમાણે જન્મેલો હતો. આ વાતને એક રૂપક તરીકે લઈ શકાય. બે સ્ત્રીઓ તે બે કરાર છે. એક સ્ત્રી તો ગુલામ બાળકોને જન્મ આપનાર હાગાર છે અને તે સિનાઈ પર્વત પરનો કરાર દર્શાવે છે. સિનાઈ પર્વત તો આરબપ્રદેશમાં આવેલો છે, અને તે પૃથ્વી પરના યરુશાલેમ શહેરના પ્રતીકરૂપ છે; જે તેનાં સર્વ સંતાનો સાથે ગુલામગીરીમાં છે. પણ સ્વર્ગીય યરુશાલેમ સ્વતંત્ર છે, અને તે જ આપણી માતા છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “હે વંધ્યા, તું હર્ષનાદ કર. જેણે કદી પ્રસવવેદના અનુભવી નથી તે તું આનંદથી પોકાર! કારણ, પોતાના પતિના સહવાસમાં રહેતી સ્ત્રી કરતાં એકલી રખાતી સ્ત્રીનાં વંશજો ઘણાં થશે.” મારા ભાઈઓ, ઇસ્હાકની જેમ આપણે ઈશ્વરના વરદાન પ્રમાણેનાં બાળકો છીએ. તે સમયે કુદરતી રીતે જન્મેલા પુત્રે ઈશ્વરના આત્માથી જન્મેલા પુત્રની સતાવણી કરી હતી. આજે પણ એવું જ છે. પણ શાસ્ત્રમાં શું લખેલું છે? “ગુલામ સ્ત્રી અને તેના પુત્રને કાઢી મૂક. કારણ, ગુલામ સ્ત્રીના પુત્રને સ્વતંત્ર સ્ત્રીના પુત્ર સાથે વારસાનો ભાગ કદી મળી શકે નહિ.” આમ, મારા ભાઈઓ, આપણે કંઈ ગુલામ સ્ત્રીનાં સંતાનો નથી, પણ આપણે તો સ્વતંત્ર સ્ત્રીનાં સંતાનો છીએ. સ્વતંત્ર માણસો તરીકે જીવન જીવવા માટે ખ્રિસ્તે આપણને મુક્ત કર્યા છે. હવે સ્વતંત્ર માણસોને શોભતા સ્થાને સ્થિર રહો, કે જેથી તમે ગુલામીના બંધનમાં ફરીથી ફસાઓ નહિ. હું પાઉલ તમને આ જણાવું છું. જો તમે સુન્‍નત કરાવો, તો તમને ખ્રિસ્તથી કંઈ ફાયદો થવાનો નથી. હવે હું ચેતવું છું કે જે માણસ સુન્‍નત કરાવે છે તે સમગ્ર નિયમશાસ્ત્રનું પાલન કરવા બંધાયેલો છે. તમારામાંના જેઓ નિયમશાસ્ત્રને આધીન થવા દ્વારા ઈશ્વર સાથે સુમેળભર્યા સંબંધમાં આવવા માગે છે, તેઓ ખ્રિસ્તથી અલગ થએલા છે; તેઓ ઈશ્વરની કૃપાથી દૂર થયા છે. પણ આપણે તો વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વર સાથે સુમેળમાં આવ્યા હોવાથી પવિત્ર આત્માને પ્રતાપે ફળીભૂત થનારી આશાની આતુરતાથી રાહ જોઈએ છીએ. ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધમાં સુન્‍નત કરાવવાથી કે સુન્‍નત ન કરાવવાથી કશો ફેર પડતો નથી; પ્રેમ દ્વારા કાર્ય કરનાર વિશ્વાસ જ મહત્ત્વની બાબત છે. તમે બહુ સારી દોડ દોડી રહ્યા હતા! તો સત્યને આધીન થતાં તમને કોણે અટકાવ્યા? તમને આમંત્રણ આપનાર ઈશ્વરે તો એવું કર્યું નથી. થોડું ખમીર લોટના સમગ્ર જથ્થાને ફુલાવે છે. પ્રભુમાં મને ભરોસો છે કે તમે મારા મંતવ્યથી જુદું મંતવ્ય નહિ અપનાવો. જે માણસ તમને ભરમાવે છે તે ગમે તે હોય; પણ ઈશ્વર તેને શિક્ષા કરશે. ભાઈઓ, સુન્‍નત જરૂરી છે એવું હું હજી જાહેર કરતો હોઉં તો મારી હજી સતાવણી કેમ કરવામાં આવે છે? જો એમ જ હોય, તો પછી ખ્રિસ્તના ક્રૂસનો સંદેશો ઠોકરરૂપ ક્યાંથી હોય? મારી તો એવી ઇચ્છા છે કે તમને સુન્‍નત કરાવવા અંગે ભમાવનારા જાતે જ કપાઈ જાય તો કેવું સારું! તમે સ્વતંત્ર રહો એ માટે ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું છે. પણ તમારું સ્વાતંય તમારી શારીરિક ઇચ્છાઓને સ્વચ્છંદતાના માર્ગે લઈ જવાનું બહાનું ન બની જાય, તેનું ધ્યાન રાખો. એને બદલે, એકબીજા પરનો પ્રેમ તમને સેવા કરતાં શીખવે. કારણ, “જેવો પોતાના પર તેવો જ તારા માનવબધું પર પ્રેમ રાખ.” આ એક જ આજ્ઞામાં સમગ્ર નિયમશાસ્ત્રનો સમાવેશ થઈ જાય છે. પણ જો તમે પશુઓની જેમ એકબીજાને કરડવાનું અને ફાડી ખાવાનું ચાલુ રાખશો તો સાવધ રહો; રખેને તમે એકબીજાનો સંપૂર્ણ નાશ કરો. પણ મારે તમને આટલું જ કહેવું છે: પવિત્ર આત્મા તમારા જીવનને દોરે અને તમે તમારા માનવી સ્વભાવની ઇચ્છાઓને વશ ન થાઓ, કારણ, આપણો માનવી સ્વભાવ પવિત્ર આત્મા કરતાં વિરુદ્ધની અપેક્ષા રાખે છે, અને પવિત્ર આત્મા માનવી સ્વભાવ વિરુદ્ધની અપેક્ષા રાખે છે. એ બન્‍ને એકબીજાના દુશ્મનો છે, અને તેથી તમે જે કરવા માગો છો તે તમે કરી શક્તા નથી. તમે પવિત્ર આત્માથી દોરાતા હો તો તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી. પાપી સ્વભાવનાં કાર્યો સાવ દેખીતાં છે: વ્યભિચાર, અશુદ્ધતા, લંપટતા, મૂર્તિપૂજા, ભૂતવિદ્યા, વૈરભાવ, ઝઘડા, ઈર્ષા, ક્રોધ, સ્વાર્થ, જૂથબંધી, પક્ષાપક્ષી, અદેખાઈ, દારૂડિયાપણું, ભોગવિલાસ અને એવાં બીજાં કાર્યો. જેમ મેં પહેલાં ચેતવણી આપી હતી, તેમ હમણાં પણ આપું છું: જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ઈશ્વરના રાજનો વારસો કદી મેળવી શકશે નહિ. પણ પવિત્ર આત્મા આ ફળ નિપજાવે છે: પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, માયાળુપણું, ભલાઈ, એકનિષ્ઠા, નમ્રતા અને સંયમ. આવી બાબતો ઉપર કોઈ નિયમ નથી. જેઓ ખ્રિસ્ત ઈસુના છે તેમણે પોતાના માનવી સ્વભાવને તેની સર્વ વાસનાઓ તથા ઇચ્છાઓ સાથે ક્રૂસ પર મારી નાખ્યો છે. જો આપણે પવિત્ર આત્માએ આપેલું જીવન જીવીએ છીએ, તો આપણે આપણા જીવનમાં પવિત્ર આત્માથી ચાલવું પણ જોઈએ. આપણે અભિમાની, એકબીજાને ખીજવનાર કે એકબીજાની અદેખાઈ કરનાર ન બનવું જોઈએ. મારા પ્રિયજનો, જો કોઈ કંઈ અપરાધ કરતાં પકડાય, તો તમારામાં જેઓ આત્મિક છે તેમણે તેને નમ્રતાપૂર્વક પાછો સ્થિર કરવો. વળી, તમારી પરીક્ષા ન થાય, માટે તમે પણ સાવચેત રહો. એકબીજાના ભાર ઊંચકવામાં મદદ કરો, એમ કરવાથી તમે ખ્રિસ્તના નિયમનું પાલન કરો છો. પોતે કંઈ ન હોવા છતાં જો કોઈ પોતાને મહાન માનતો હોય, તો તે પોતાની જાતને છેતરે છે. દરેકે પોતાની વર્તણૂકનો જાતે જ ન્યાય કરવો; કારણ, એમ કરવાથી તે પોતાની યોગ્યતાને આધારે ગર્વ કરી શકશે અને બીજાની સાથે સરખામણી કરવાની જરૂર રહેશે નહિ. કારણ, દરેકે પોતાનો બોજ પોતે જ ઊંચકવાનો છે. ખ્રિસ્તી સંદેશનું શિક્ષણ લેતા માણસે પોતાના શિક્ષકને સર્વ સારી બાબતોમાંથી ભાગ આપવો જોઈએ. પોતાની જાતને છેતરશો નહિ. ઈશ્વરની મશ્કરી કરી શકાય નહિ. માણસ જેવું વાવશે તેવું લણશે. જો તે માનવી સ્વભાવ પ્રમાણે વાવે, તો તે વિનાશ લણશે. પણ જો તે પવિત્ર આત્મા પ્રમાણે વાવે, તો તેમાંથી તે પવિત્ર આત્માથી સાર્વકાલિક જીવન લણશે. એથી આપણે સારું કરતાં થાકવું નહિ, કારણ, જો આપણે પડતું મૂકીએ નહિ, તો યોગ્ય સમયે કાપણી કરીશું. આમ, જ્યારે પણ આપણને તક મળે, ત્યારે આપણે સૌનું, અને ખાસ કરીને જેઓ વિશ્વાસમાં એક કુટુંબ છે, તેમનું ભલું કરીએ. હું મારે પોતાને હાથે કેવા મોટા અક્ષરોમાં લખું છું! જેઓ પોતાની સારી છાપ પાડવા માગે છે, તેઓ જ તમને સુન્‍નત કરાવવાની ફરજ પાડે છે. ખ્રિસ્તના ક્રૂસને લીધે તેમની સતાવણી ન થાય, માટે તેઓ તેમ કરે છે. જો કે જેઓ સુન્‍નતનો વિધિ પાળે છે, તેઓ પણ નિયમશાસ્ત્રનું પાલન કરતા નથી. પણ તેઓ બડાઈ મારી શકે માટે તમે સુન્‍નત કરાવો એવું તેઓ ચાહે છે. હું પોતે તો ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ વિષે જ ગર્વ કરીશ. કારણ, તેમના ક્રૂસને લીધે દુનિયા મારે મન મરેલી છે અને હું દુનિયાને મન મરેલો છું. કોઈની સુન્‍નત થયેલી છે કે નથી થઈ એ બાબત જરા પણ મહત્ત્વની નથી: પણ મહત્ત્વ તો નવસર્જનનું જ છે. જેઓ આ સિદ્ધાંત પ્રમાણે જીવન જીવે છે, તેમની સાથે અને ઈશ્વરના સર્વ લોકની સાથે કૃપા તથા શાંતિ રહો! કોઈ હવે મને વધુ તસ્દી ન આપે, કારણ, મારા શરીર પરનાં ચિહ્નો જણાવે છે કે હું ખ્રિસ્તનો સેવક છું. મારા ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે રહો. આમીન. ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત થયેલ પાઉલ તરફથી એફેસસમાં રહેતા અને ખ્રિસ્તને વિશ્વાસુ છે એવા ઈશ્વરના લોકને શુભેચ્છા! આપણા ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ બક્ષો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા એટલે ઈશ્વરની સ્તુતિ હો; કારણ, તેમણે આપણને સ્વર્ગીય ક્ષેત્રમાં ખ્રિસ્ત દ્વારા પ્રત્યેક આત્મિક આશિષથી આશીર્વાદિત કર્યા છે. આપણે ખ્રિસ્તમાં મેળવાઈને ઈશ્વરના બનીએ તે માટે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું તે પહેલાં તેમણે આપણને પસંદ કર્યા હતા; જેથી આપણે તેમની સમક્ષ પવિત્ર અને નિર્દોષ થઈએ. ઈશ્વરના પ્રેમને લીધે આપણે ઈસુ ખ્રિસ્તની મારફતે તેમના પુત્રો બનીએ તેવું ઈશ્વરે નક્કી કરેલું હતું; એમાં જ તેમનો આનંદ અને એ જ તેમનો હેતુ હતો. તેમણે આપણને પોતાના પ્રિય પુત્રમાં તે આશિષ વિનામૂલ્યે આપી છે. ઈશ્વરની એ મહિમાવંત કૃપાને માટે આપણે તેમની સ્તુતિ કરીએ. ખ્રિસ્તનું રક્ત બલિદાનમાં રેડાયાને લીધે આપણને મુક્ત કરવામાં આવ્યા છે; એટલે કે, આપણાં પાપ માફ કરવામાં આવ્યાં છે. એ રીતે ઈશ્વરે આપણા પર પોતાની કૃપાની સમૃદ્ધિ વરસાવી છે. ઈશ્વરે પોતાનાં સર્વ જ્ઞાન અને આંતરસૂઝ પ્રમાણે કરેલો નિર્ણય અને પોતાની માર્મિક યોજના જે તેમણે ખ્રિસ્ત દ્વારા પૂરી કરવાનું નક્કી કરી રાખ્યું હતું, તે આપણને જાહેર કર્યાં છે. ઈશ્વરનો હેતુ ખ્રિસ્ત અગ્રસ્થાને હોય એ રીતે સ્વર્ગ અને પૃથ્વી પરના સર્વ સર્જનને એક કરવાનો છે; એ હેતુ તે યોગ્ય સમયે પરિપૂર્ણ કરશે. ઈશ્વરની યોજના અને તેમના નિર્ણય પ્રમાણે સર્વ બાબતો બને છે. ઈશ્વરે આરંભથી જે નક્કી કર્યું હતું તે પ્રમાણે તેમનો હેતુ આપણને ખ્રિસ્તમાં મેળવીને તેમના પોતાના લોક બનાવવાનો હતો. આમ, ખ્રિસ્ત પર આશા રાખવામાં આપણે જેઓ પ્રથમ છીએ તેઓ ઈશ્વરની સ્તુતિ કરીએ! તમારા સંબંધમાં પણ એવું જ છે. તમે સાચો સંદેશ, એટલે કે, તમને ઉદ્ધાર પમાડનાર શુભસંદેશ સાંભળ્યો, ત્યારે તમે ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો, અને ઈશ્વરે પોતે આપેલા વચન પ્રમાણે પવિત્ર આત્મા આપીને તેમણે તમારા પર પોતાની માલિકીના હકની મહોર મારી. પવિત્ર આત્મા તો ઈશ્વરે પોતાના વચન પ્રમાણે પોતાના લોકને આપવા ધારેલ વારસાનું બાનું છે અને જેઓ ઈશ્વરના છે તેમને ઈશ્વર સંપૂર્ણ મુક્ત કરશે એની ખાતરી છે. ઈશ્વરના મહિમાની સ્તુતિ કરો! એને લીધે, મેં પ્રભુ ઈસુમાંના તમારા વિશ્વાસ અને ઈશ્વરના સર્વ લોક માટેના તમારા પ્રેમ વિષે સાંભળ્યું ત્યારથી હું હંમેશા ઈશ્વરનો આભાર માનું છું. હું મારી પ્રાર્થનાઓમાં તમને યાદ રાખું છું, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત ઈશ્વરપિતા તમને પવિત્ર આત્મા આપે તેવી વિનંતી કરું છું. પવિત્ર આત્મા તમને જ્ઞાની બનાવશે અને ઈશ્વરને તમારી સમક્ષ પ્રગટ કરશે; એ માટે કે તમે તેમને ઓળખી શકો. મારી પ્રાર્થના છે કે તમે તેમનો પ્રકાશ નિહાળી શકો તે માટે તમારાં મન ખુલ્લાં થાય; જેથી જે આશાને માટે તમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને પોતાના લોકોને તે કેવો સમૃદ્ધ મહિમાવંત વારસો આપે છે, અને આપણે જેઓ વિશ્વાસ કરીએ છીએ તેમનામાં કાર્ય કરી રહેલ ઈશ્વરનું પરાક્રમ કેટલું મહાન છે તે તમે જાણી શકો. જે સામર્થ્યથી ઈશ્વરે ખ્રિસ્તને મરણમાંથી સજીવન કર્યા અને સ્વર્ગીય ક્ષેત્રમાં પોતાની જમણી તરફ બિરાજમાન કર્યા છે, તે જ સામર્થ્ય આપણામાં પણ કાર્ય કરે છે. ત્યાં ખ્રિસ્ત સર્વ સ્વર્ગીય અધિકાર, સત્તા અને અધિપતિઓ પર રાજ કરે છે. વળી, આ દુનિયામાં અને આવનાર દુનિયાની તમામ સત્તાઓ કરતાં ય તે ઉચ્ચ સ્થાન ધરાવે છે. ઈશ્વરે સર્વ બાબતોને ખ્રિસ્તના પગ નીચે મૂકી છે, અને તેમને સર્વના પ્રભુ તરીકે મંડળીને આપ્યા છે. મંડળી તો ખ્રિસ્તનું શરીર છે અને સકળ સર્જનને પરિપૂર્ણ કરનાર ખ્રિસ્તની પરિપૂર્ણતાનો સંચય છે. ભૂતકાળમાં તમે તમારા આજ્ઞાભંગ તથા પાપને લીધે આત્મિક રીતે મરેલા હતા. તે સમયે તમે આ દુનિયાને માર્ગે ચાલતા હતા; તમે અવકાશમાંની આત્મિક સત્તાઓના અધિકારીને, એટલે ઈશ્વરને આધીન નહિ રહેનારા લોકો પર કાબૂ ધરાવનાર આત્માને આધીન રહેતા હતા. હકીક્તમાં તો આપણે સૌ તેમના જેવા જ હતા અને આપણી દુર્વાસનાઓ પ્રમાણે જીવતા હતા, અને આપણી શારીરિક અને માનસિક વૃત્તિઓ પ્રમાણે વર્તતા હતા. બીજા સર્વની માફક આપણે પણ સ્વભાવે ઈશ્વરના કોપને પાત્ર હતા. પણ ઈશ્વરની કૃપા એટલી બધી સમૃદ્ધ છે, અને આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો મહાન છે કે જ્યારે આજ્ઞાભંગને લીધે આપણે આત્મિક રીતે મરેલા હતા, ત્યારે તેમણે આપણને ખ્રિસ્તની સાથે સજીવન કર્યા. ઈશ્વરની કૃપાથી જ તમારો ઉદ્ધાર થયો છે. ખ્રિસ્ત ઈસુ સાથેના આપણા સંબંધને લીધે ઈશ્વરે આપણને તેમની સાથે સજીવન કર્યા છે, અને આપણને સ્વર્ગીય ક્ષેત્રમાં ઈસુની સાથે બિરાજમાન કર્યા છે. એમ કરવા દ્વારા ઈશ્વર ખ્રિસ્ત ઈસુ દ્વારા પ્રેમ બતાવીને આપણા પ્રત્યે તેમની કૃપાની સમૃદ્ધિ કેવી મહાન છે તે ભાવિ યુગોમાં બતાવવા માગતા હતા. કારણ, માત્ર ઈશ્વરની કૃપાને લીધે જ વિશ્વાસ કરવા દ્વારા તમારો ઉદ્ધાર થયો છે. તે તમારાથી બન્યું નથી, પણ ઈશ્વરની બક્ષિસ છે. આથી એમાં બડાઈ કરવા જેવું કંઈ નથી. કારણ, તે તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી. ઈશ્વર આપણા સર્જનહાર છે અને પહેલેથી નક્કી કર્યા પ્રમાણે સારાં કાર્યોનું જીવન જીવવા તેમણે આપણને ખ્રિસ્ત ઈસુ દ્વારા સજર્યા છે. તમે જન્મે બિનયહૂદી છો. યહૂદીઓ તમને સુન્‍નત કરાવ્યા વગરના માણસો તરીકે ઓળખે છે, અને પોતાને સુન્‍નત કરાવેલા તરીકે ઓળખાવે છે. આ તો શારીરિક સુન્‍નતનો નિર્દેશ છે. તેથી ભૂતકાળમાં તમે કેવા હતા તે યાદ કરો! તે સમયે તમે ખ્રિસ્ત વગરના હતા. તમે પરદેશી હતા અને ઈશ્વરના પસંદ કરેલા ઇઝરાયલી લોકમાં તમારી ગણતરી કરવામાં આવતી નહોતી. ઈશ્વરે પોતાના લોકને આપેલાં વચનો પર આધારિત કરારોમાં તમારે કોઈ લાગભાગ ન હતો. તમે આ દુનિયામાં આશારહિત અને ઈશ્વર વગર જીવતા હતા. પણ હવે ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધને લીધે તમે જેઓ પ્રથમ ઘણા દૂર હતા તેમને ખ્રિસ્તના રક્ત દ્વારા નજીક લાવવામાં આવ્યા છે. ખ્રિસ્તે જાતે જ આપણા શાંતિ- સ્થાપક બનીને યહૂદીઓ અને બિનયહૂદીઓને એક માનવપ્રજા બનાવ્યા છે. જે દીવાલ તેમને એકબીજાથી જુદા પાડતી હતી અને દુશ્મનો બનાવતી હતી તેને ખ્રિસ્તે પોતાના શરીર દ્વારા તોડી પાડી છે. પોતાની સાથેના સંબંધ દ્વારા બંને પ્રજાઓમાંથી એક નવી પ્રજા બનાવવા અને એમ શાંતિ સ્થાપવા માટે તેમણે પોતાના શરીર દ્વારા યહૂદી નિયમશાસ્ત્રને તેની આજ્ઞાઓ અને તેના નિયમો સહિત રદ કર્યું છે. ખ્રિસ્તે ક્રૂસ પરના તેમના મરણની મારફતે આપણી એ અરસપરસની દુશ્મનાવટનો સંહાર કર્યો છે, અને ક્રૂસ દ્વારા જ તેમણે બંને પ્રજાને એક શરીરરૂપ કરીને તેમનું ઈશ્વરની સાથે સમાધાન કરાવ્યું છે. આમ, ખ્રિસ્તે આવીને તમ બિનયહૂદીઓ, જેઓ ઈશ્વરથી ઘણા દૂર હતા; અને યહૂદીઓ, જેઓ ઈશ્વરની નજદીક હતા, એ સૌને શુભસંદેશનો પ્રચાર કર્યો છે. ખ્રિસ્તની મારફતે આપણે સૌ યહૂદીઓ અને બિનયહૂદીઓ, એક જ પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરપિતાની સમક્ષતામાં આવી શકીએ છીએ. આમ, તમે બિનયહૂદીઓ હવે પરદેશી કે પારકા રહ્યા નથી, પણ તમે ઈશ્વરના લોકની સાથે સહનાગરિકો છો અને ઈશ્વરના કુટુંબના સભ્યો છો. પ્રેષિતો અને સંદેશવાહકોએ નાખેલા પાયા પર તમારું ચણતર થયું છે. ઈસુ ખ્રિસ્ત તો આધારશિલા છે. ઈસુ જ સમગ્ર બાંધક્મને ધરી રાખે છે અને તે બાંધક્મ પ્રભુમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે. ઈસુની સાથેના સંબંધને લીધે બીજાઓની સાથે તમે પણ એ ઘરમાં ચણાયા છો; તે ઘરમાં ઈશ્વર પોતાના આત્માની મારફતે વસે છે. આ કારણથી તમ બિનયહૂદીઓને માટે ઈસુ ખ્રિસ્તનો કેદી, હું પાઉલ, ઈશ્વરને પ્રાર્થના કરું છું. ઈશ્વરે તેમની કૃપામાં તમારા ભલાને માટે મને જે કાર્ય સોપ્યું છે, એ વિષે તમે જરૂર સાંભળ્યું છે. ઈશ્વરે મને તેમની માર્મિક યોજના પ્રગટ કરીને જણાવી છે. (આ વિષે મેં ટૂંકમાં લખ્યું છે. અને મેં જે લખ્યું છે તે જો તમે વાંચો તો ખ્રિસ્તના રહસ્ય વિષેની મારા જેવી સમજ તમે મેળવી શકશો). ભૂતકાળમાં માણસોને આ રહસ્ય જણાવવામાં આવ્યું ન હતું, પણ વર્તમાન સમયમાં ઈશ્વરે પોતાના આત્માની મારફતે તેમના પ્રેષિતો અને સંદેશવાહકોને આ રહસ્ય જણાવ્યું છે. રહસ્ય આ પ્રમાણે છે: શુભસંદેશની મારફતે ઈશ્વરની આશિષોમાં યહૂદીઓની સાથે બિનયહૂદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ શરીરનાં અંગો છે અને ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે. ઈશ્વરે પોતાની શક્તિથી કાર્ય કરીને મને આપેલા ખાસ કૃપાદાનની મારફતે મને શુભસંદેશનો સેવક બનાવ્યો છે. ઈશ્વરના સર્વ લોકમાં હું સૌથી નિમ્ન કક્ષાનો છતાં મને એ કૃપા આપવામાં આવી કે હું ખ્રિસ્તની અસીમ સમૃદ્ધિનો શુભસંદેશ બિનયહૂદીઓ પાસે લઈ જઉં અને ઈશ્વરની માર્મિક યોજના કેવી રીતે કાર્ય કરે છે તે સર્વ માણસોને બતાવું. સર્વ વસ્તુઓના સર્જનહાર ઈશ્વરે આ રહસ્યને વીતેલા સર્વ યુગોમાં ગુપ્ત રાખ્યું હતું; *** જેથી વર્તમાન સમયમાં સ્વર્ગીય ક્ષેત્રના અધિકારીઓ અને સત્તાધીશો મંડળીની મારફતે ઈશ્વરનું બહુવિધ જ્ઞાન જાણી શકે. ઈશ્વરે પોતાના સનાતન હેતુ પ્રમાણે ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુની મારફતે એ સિદ્ધ કર્યું છે. તેમનામાં મેળવાયા હોવાથી અને તેમના પરના આપણા વિશ્વાસ દ્વારા સંપૂર્ણ ખાતરીથી ઈશ્વર સમક્ષ જવાને આપણને સ્વતંત્રતા છે. તેથી હું આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે તમારે લીધે હું જે દુ:ખ ભોગવું છું તેથી તમે નિરાશ ન થાઓ; એ તો તમારા લાભ માટે જ છે. આ કારણને લીધે, જેમના પરથી સ્વર્ગ અને પૃથ્વીના દરેક કુટુંબને નામ મળે છે તે ઈશ્વરપિતા સમક્ષ હું ધૂંટણે પડીને પ્રાર્થના કરું છું. *** હું ઈશ્વર પાસે માગું છું કે તે તેમના મહિમાની સંપત્તિમાંથી તેમના પવિત્ર આત્માની મારફતે તમને બળ આપે; જેથી તમે આંતરિક રીતે બળવાન થાઓ, અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત નિવાસ કરે. હું એવી પ્રાર્થના કરું છું કે તમારાં મૂળ અને પાયો પ્રેમમાં નંખાયેલાં હોય. જેથી ઈશ્વરના સર્વ લોકની સાથે સાથે તમે પણ ખ્રિસ્તના પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈનો ખ્યાલ મેળવી શકો, વળી, તમે તેમનો પ્રેમ જાણી શકો - જો કે એ તો કયારેય સંપૂર્ણ રીતે કદી જાણી શકાય નહિ - જેથી તમે ઈશ્વરની બધી પરિપૂર્ણતાથી પૂર્ણ થાઓ. આપણામાં કાર્ય કરતા તેમના સામર્થ્યની મારફતે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં વિશેષ કરવાને જે શક્તિમાન છે, તેવા ઈશ્વરનો મંડળીમાં અને ખ્રિસ્ત ઈસુમાં સદા સર્વકાળ મહિમા હો. આમીન. પ્રભુનો કેદી બનેલો હું પાઉલ તમને વિનવણી કરું છું: ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમારે માટે તેમણે નક્કી કરેલા ધોરણ પ્રમાણે તમે જીવન જીવો. હંમેશાં નમ્ર, માયાળુ અને ધીરજવાન બનો. એકબીજાને મદદરૂપ થઈને તમારો પ્રેમ બતાવો. તમને સંગઠિત રાખનાર શાંતિ દ્વારા પવિત્ર આત્મા તરફથી મળતા ઐક્યને સાચવી રાખવાને પ્રયત્નશીલ રહો. ઈશ્વરે તમને એક જ આશાને માટે આમંત્રણ આપ્યું છે; તેવી જ રીતે એક શરીર છે અને એક આત્મા છે. એક પ્રભુ, એક વિશ્વાસ અને એક બાપ્તિસ્મા છે; એક ઈશ્વર, જે આપણા સૌના પિતા છે, જે સૌના પ્રભુ છે અને સૌમાં કાર્ય કરે છે અને સૌમાં છે. ખ્રિસ્તે આપેલ કૃપાના પ્રમાણમાં આપણામાંના દરેકને ખાસ કૃપાદાન આપવામાં આવેલું છે. શાસ્ત્રમાં લખેલું છે: “જ્યારે તે ઊંચાણમાં ગયા, ત્યારે પોતાની સાથે તે ઘણા કેદીઓને લઈ ગયા, અને તેમણે માણસોને બક્ષિસો આપી.” હવે “તે ઊંચાણમાં ગયા” તેનો અર્થ શો? એનો અર્થ એ કે પ્રથમ તે નીચે, એટલે, પૃથ્વીના સૌથી ઊંડાણના ભાગોમાં ઊતર્યા. તેથી જે નીચે ઊતરી આવ્યા તે જ ઉપરના આકાશમાં, અને એથી પણ ઊંચે ગયા છે, જેથી તે સર્વને પરિપૂર્ણ કરે. તેમણે જ કેટલાકને પ્રેષિતો, કેટલાકને સંદેશવાહકો, કેટલાકને શુભસંદેશના પ્રચારકો, કેટલાકને પાળકો અને શિક્ષકો તરીકે બક્ષ્યા છે. જેથી ઈશ્વરના સર્વ લોકો સેવાકાર્ય માટે સજ્જ થાય અને ખ્રિસ્તનું શરીર બંધાતું જાય; અને અંતે આપણે ઈશ્વરપુત્ર પરના વિશ્વાસમાં અને તેમના જ્ઞાનમાં ઐકય પ્રાપ્ત કરીએ અને પરિપકવ બનીને ખ્રિસ્તની પરિપૂર્ણતાની સીમા સુધી પહોંચીએ. જેથી પોતાની ચાલાકીભરી કુયુક્તિઓથી બીજાઓને ભમાવનાર કપટી માણસોના શિક્ષણરૂપી મોજાંથી ઘસડાનાર અને પવનથી આમતેમ ડોલનાર બાળકો જેવા આપણે ન રહીએ. એને બદલે, પ્રેમથી સત્યને અનુસરીને ખ્રિસ્ત જે શિર છે તેમનામાં આપણે દરેક રીતે વૃદ્ધિ પામીએ. તેમના નિયંત્રણ નીચે શરીરના બધા અવયવો પરસ્પર જોડાયેલા રહે છે અને સમગ્ર શરીર તેના દરેક સાંધાથી જોડાયેલું રહે છે. તેથી જ્યારે બધા અવયવ પોતપોતાનું કાર્ય કરે ત્યારે સમગ્ર શરીર વૃદ્ધિ પામે છે, અને પ્રેમથી સંગીન બને છે. તેથી હું પ્રભુને નામે ચેતવણી આપતાં કહું છું કે, હવેથી વિધર્મીઓ, જેમના વિચાર નિરર્થક છે અને જેમનું મન અંધકારમય છે, તેમના જેવું જીવન તમે ન જીવો. ઈશ્વરદત્ત જીવનમાં તેમને કંઈ લાગભાગ નથી; કારણ, તેઓ તદ્દન અજ્ઞાન અને હઠીલા છે. તેમણે સઘળી શરમ મૂકી દીધી છે; તેઓ લંપટ બની ગયા છે, અને સર્વ પ્રકારનાં અશુદ્ધ કાર્યો નિરંકુશપણે કરે છે. તમે ખ્રિસ્ત પાસેથી એવું કશું શીખ્યા નથી. તમે તેમને વિષે સાંભળ્યું છે અને તેમના અનુયાયીઓ તરીકે ઈસુમાં જે સત્ય છે તેનું તમને શિક્ષણ આપવામાં આવ્યું છે. તેથી તમારા પહેલાંના જીવનવ્યવહારનું જૂનું વ્યક્તિત્વ, જે તેની છેતરામણી વાસનાઓથી ક્ષીણ થતું જાય છે તે ઉતારી નાખો; તમારી મનોવૃત્તિઓમાં નવા બનો, અને ઈશ્વર સાથે સુમેળભર્યા સંબંધમાં આવવાને લીધે સાચી પવિત્રતાને અર્થે સર્જાયેલું નવું વ્યક્તિત્વ, જે ઈશ્વરના સ્વભાવને અનુરૂપ છે તે પહેરી લો. જૂઠું બોલવાનું તજી દો; એને બદલે, દરેકે પોતાના માનવબધું સાથે સાચું બોલવું. કારણ, આપણે સૌ ખ્રિસ્તના શરીરના અવયવો છીએ. જો તમે ગુસ્સે થાઓ, તો તમારો ગુસ્સો તમને પાપમાં દોરી જાય એવું થવા ન દો; અને આખો દિવસ ગુસ્સે ન રહો. એમ શેતાનને તક ન આપો. જે માણસ ચોરી કરે છે તેણે તેમ કરવાનું બંધ કરવું અને ધંધોરોજગાર કરવો જોઈએ, જેથી પોતાને માટે પ્રામાણિક રીતે કમાય અને ગરીબોને મદદરૂપ થાય. વાતચીતમાં નુક્સાનકારક શબ્દો વાપરો નહિ, પણ માત્ર ઉન્‍નતિકારક અને જરૂર જેટલા જ શબ્દો વાપરો; જેથી સાંભળનારનું ભલું થાય. ઈશ્વરના પવિત્ર આત્માને દુ:ખી ન કરો. કારણ, પવિત્ર આત્મા તો તમારા પર લગાવેલી ઈશ્વરની માલિકીની મહોર છે અને પ્રભુનો દિવસ આવશે ત્યારે ઈશ્વર તમને મુક્ત કરશે તેની ખાતરી છે. તમારામાંથી સર્વ પ્રકારની કડવાશ, ઉશ્કેરાટ અને ગુસ્સો કાઢી નાખો. ઝઘડો કે નિંદા કરો નહિ. સર્વ પ્રકારની ભૂંડાઈ કાઢી નાખો. એના કરતાં એકબીજા પ્રત્યે માયાળુ અને કોમળ દયના થાઓ અને જેમ ઈશ્વરે તમને ખ્રિસ્તને લીધે માફી આપી તેમ તમે એકબીજાને ક્ષમા આપો. ઈશ્વરનાં પ્રિય બાળકો તરીકે તમે તેમનું અનુકરણ કરો. ખ્રિસ્તે આપણા પર પ્રેમ કરીને આપણે માટે ઈશ્વર પ્રસન્‍ન થાય તેવા એક સુવાસિત અર્પણ અને બલિદાન તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું. તેથી તમારું જીવન પણ પ્રેમથી દોરવાવું જોઈએ. તમે ઈશ્વરના લોક છો તેથી તમારે વ્યભિચાર, અશુદ્ધતા અથવા લોભનું નામ સરખું ન લેવું. વળી, તમે અશ્ર્લીલ, મૂર્ખ અથવા ભૂંડા શબ્દો વાપરો તે તમારે માટે યોગ્ય નથી. એને બદલે, તમારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. તમે આ વાત તો જાણી લો કે વ્યભિચારી, દુરાચારી અથવા લોભી માણસ ખ્રિસ્ત અને ઈશ્વરના રાજનો ભાગીદાર કદી બનશે નહિ, કારણ, એવી વ્યક્તિ હકીક્તમાં મૂર્તિપૂજક જ છે. કોઈ તમને મૂર્ખ શબ્દોથી છેતરી જાય નહિ. એવાં કાર્યો કરી ઈશ્વરને આધીન નહિ થનારા લોકો પર ઈશ્વરનો કોપ આવશે. આવા લોકો સાથે કંઈ જ સંબંધ રાખશો નહિ. એક સમયે તમે અંધકારમાં હતા, પણ હવે પ્રભુના લોક બન્યા હોવાથી તમે પ્રકાશમાં છો. તેથી તમારે પ્રકાશના લોક તરીકે જીવવાનું છે. કારણ, પ્રકાશનાં ફળરૂપે જ ભલાઈ, ન્યાયીપણું અને સત્યતા આવે છે. પ્રભુ પ્રસન્‍ન થાય એવી બાબતો પારખી લેવાને યત્ન કરો. અંધકારનાં નિરર્થક કામોમાં ભાગ ન લો. એને બદલે, તેમને પ્રકાશમાં લાવો. તેઓ ખાનગીમાં જે કાર્યો કરે છે તેની વાત કરવી પણ શરમજનક છે. એ જ્યારે પ્રકાશમાં લાવવામાં આવે છે ત્યારે તેમનું સાચું સ્વરૂપ સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. કારણ, જે સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે તે પ્રકાશમય બની જાય છે. તેથી જ કહ્યું છે કે, “ઓ ઊંઘનાર જાગ, અને મરણમાંથી સજીવન થા! એટલે ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.” તેથી તમે કેવી રીતે જીવન જીવો છો તે પ્રત્યે ખાસ ધ્યાન આપો. અજ્ઞાન માણસની જેમ નહિ, પણ સમજુ માણસની જેમ જીવન જીવો. તમને મળતી દરેક તકનો સદુપયોગ કરો, કારણ, આ દિવસો ખરાબ છે. માટે અબુધ ન રહો, પણ તમારે માટે પ્રભુની શી ઇચ્છા છે તે જાણી લો. દારૂ પીને છાકટા ન બનો, એ તો બરબાદ કરનારું વ્યસન છે; એને બદલે, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. એકબીજાની સાથે ગીતો, સ્તોત્રો અને પવિત્ર ભજનોથી વાત કરો. તમારા પૂરા દિલથી ગીતો ને ભજનો ગાઈને પ્રભુની સ્તુતિ કરો. અને સર્વ બાબતો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે ઈશ્વરપિતાનો આભાર નિત્ય માનો. ખ્રિસ્ત પ્રત્યેના તમારા આદરને લીધે તમે એકબીજાને આધીન રહો. પત્નીઓ, જેમ પ્રભુને તેવી જ રીતે તમારા પતિને આધીન રહો. કારણ, જેમ ખ્રિસ્તને મંડળી પર અધિકાર છે તે જ રીતે પતિને તેની પત્ની પર અધિકાર છે; અને ખ્રિસ્ત પોતે, મંડળી જે તેમનું શરીર છે, તેના ઉદ્ધારક છે. જેમ મંડળી ખ્રિસ્તને આધીન રહે છે તેમ જ પત્નીએ પ્રત્યેક બાબતમાં પતિને આધીન રહેવું. પતિઓ, તમે પણ ખ્રિસ્તે મંડળી પર કર્યો તેવો પ્રેમ તમારી પત્ની પર કરો; ખ્રિસ્તે તો મંડળી માટે પોતાનો જીવ આપી દીધો, કે જેથી તે વચનરૂપી જળથી સ્નાન કરાવીને મંડળીને શુદ્ધ કરે; અને જેને ડાઘ કે કરચલી કે બીજી કોઈ ખામી ન હોય, પણ જે પવિત્ર અને નિષ્કલંક હોય એવી ગૌરવી મંડળીને પોતાની સમક્ષ રજૂ કરે. પતિઓ, તમે જેમ પોતાના શરીર પર પ્રેમ કરો છો તેવી જ રીતે તમારે પોતાની પત્ની પર પ્રેમ કરવો જોઈએ. જે માણસ પોતાની પત્ની પર પ્રેમ કરે છે તે પોતાના પર જ પ્રેમ કરે છે. (કોઈ માણસ પોતાના શરીરનો તિરસ્કાર કદી કરતો નથી. એને બદલે, તે પોતાના શરીરનું પાલનપોષણ કરે છે. એ જ રીતે ખ્રિસ્ત પણ મંડળીનું પાલનપોષણ કરે છે; કારણ, આપણે ખ્રિસ્તના શરીરના અવયવો છીએ). શાસ્ત્રમાં લખેલું છે: “આ કારણથી, પુરુષ પોતાના માતાપિતાને ત્યજી દેશે અને તેની પત્નીની સાથે જોડાશે અને તેઓ બંને એક થશે.” આ શાસ્ત્રભાગમાં મહાન રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું છે; અને એ તો ખ્રિસ્ત અને તેમની મંડળી સંબંધી છે એમ મારું કહેવું છે. વળી, તે તમને પણ લાગુ પડે છે. દરેક પતિએ, જેવો પોતા પર તેવો જ પોતાની પત્ની પર પ્રેમ કરવો જોઈએ અને દરેક પત્નીએ પોતાના પતિને માન આપવું જોઈએ. બાળકો, તમે તમારાં માતાપિતાને પ્રભુમાં આજ્ઞાંક્તિ રહો, કારણ, એમ કરવું તે યોગ્ય છે. જેમાં વચન પણ આપવામાં આવ્યું હોય એવી આ પ્રથમ જ આજ્ઞા છે: “તારાં માતાપિતાનું સન્માન કર; જેથી તારું ભલું થાય અને તું પૃથ્વી પર લાંબુ આયુષ્ય ભોગવે.” પિતાઓ, તમારાં બાળકો ખીજવાઈ જાય એવી રીતે ન વર્તો, એના કરતાં તેમને પ્રભુનાં શિસ્ત અને શિક્ષણમાં ઉછેરો. ગુલામો, તમે તમારા માનવી શેઠને ભય તથા કંપારીસહિત આધીન રહો અને જેમ ખ્રિસ્તની સેવા કરતા હો તેમ નિખાલસ દયથી તેમની સેવા કરો. તે તમારું નિરીક્ષણ કરતા હોય ત્યારે તેમને ખુશ કરી દેવા માટે જ નહિ, પણ ખ્રિસ્તના ગુલામ તરીકે પૂર્ણ દયથી ઈશ્વરને જે પસંદ છે તે કરો. માણસોની સેવા નહિ, પણ જાણે પ્રભુની સેવા કરો છો તેમ સમજીને ગુલામ તરીકેનું તમારું કાર્ય આનંદથી કરો: યાદ રાખો, દરેક માણસ, પછી તે ગુલામ હોય કે સ્વતંત્ર, પણ પ્રભુ તેને તેના ક્મનો બદલો આપશે. માલિકો, એ જ રીતે તમે પણ તમારા ગુલામોની પ્રત્યે એવું જ વર્તન રાખો અને ધમકી આપવાનું બંધ કરો. યાદ રાખો, સ્વર્ગમાં તમારા અને તમારા ગુલામોના માલિક પણ એક જ છે; તે બધાંનો સમાન ધોરણે ન્યાય કરે છે. અંતમાં, પ્રભુની સાથેની સંગતમાં અને તેમની મહાન શક્તિથી તમે તાક્તવાન બનો. શેતાનની દુષ્ટ ચાલાકીઓનો તમે સામનો કરી શકો માટે ઈશ્વર તમને જે શસ્ત્રો આપે છે તે સજી લો. કારણ, આપણે માનવજાત સામે લડાઈ કરતા નથી, પણ સ્વર્ગીય ક્ષેત્રમાં જે દુષ્ટ આત્મિક સત્તાઓ છે એટલે અધિકારીઓ, અધિપતિઓ અને અંધકારની શક્તિઓ છે તેમની સામે લડીએ છીએ. તેથી ઈશ્વરનાં શસ્ત્રો હમણાં જ સજી લો! જેથી જ્યારે ભૂંડા દિવસો આવે ત્યારે દુશ્મનના હુમલાને ખાળવા તમે શક્તિમાન થઈ શકો અને અંત સુધી લડાઈ કરીને તમે ઊભા રહી શકો. તેથી તૈયાર રહો; તમારી કમર પર પટ્ટા તરીકે સત્યને કાસીને બાંધો. બખ્તર તરીકે ન્યાયીપણું પહેરો. તમારા પગના જોડા તરીકે શાંતિનો શુભસંદેશ જાહેર કરવાની તત્પરતા પહેરો. સર્વ સમયે વિશ્વાસને ઢાલ તરીકે સાથે રાખો. તે મારફતે તમે દુષ્ટે મારેલાં સળગતાં તીર હોલવી નાખવાને શક્તિમાન બનશો. વળી, ઉદ્ધારને ટોપ તરીકે પહેરો અને પવિત્ર આત્માએ આપેલી ઈશ્વરના વચનરૂપી તલવાર હાથ ધરો. આ બધું પ્રાર્થનાપૂર્વક કરો અને ઈશ્વરની મદદ માગો. જેમ પવિત્ર આત્મા દોરવણી આપે તેમ સર્વ પ્રસંગે પ્રાર્થના કરો. આ કારણથી હંમેશાં જાગૃત રહો અને તેમ કરવાનું કદી પડતું ન મૂકો. સર્વ સમયે ઈશ્વરના સર્વ લોકને માટે પ્રાર્થના કરો. મારે માટે પણ પ્રાર્થના કરો કે, જ્યારે મારે બોલવાનું હોય ત્યારે ઈશ્વર મને સંદેશો આપે અને હું હિંમતથી શુભસંદેશનું રહસ્ય જાહેર કરી શકું. કારણ, હાલ જેલમાં સાંકળોથી બંધાયેલો હોવા છતાં હું શુભસંદેશનો રાજદૂત છું. મારે જે રીતે બોલવું જોઈએ તે રીતે હિંમતથી બોલી શકું માટે પ્રાર્થના કરો. પ્રભુના કાર્યમાં આપણો પ્રિય ભાઈ અને વિશ્વાસુ સેવક તુખીક્સ તમને મારા વિષેના સર્વ સમાચાર જણાવશે અને તમને મારી પરિસ્થિતિની ખબર પડશે. એ કારણથી જ હું તેને તમારી પાસે મોકલું છું કે તે તમને અમારા સમાચાર જણાવે અને તે દ્વારા તમારાં હૃદયોને પ્રોત્સાહન આપે. ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ ભાઈઓને શાંતિ અને વિશ્વાસ સહિત પ્રેમ બક્ષો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નિષ્કપટ પ્રેમ રાખનાર સૌની સાથે ઈશ્વરની કૃપા હો. આમીન. ઈસુ ખ્રિસ્તની સાથે સંબંધમાં આવેલા ફિલિપીમાં રહેતા ઈશ્વરના સર્વ લોક, મંડળીના આગેવાનો અને મદદનીશોને લખનાર ખ્રિસ્ત ઈસુના સેવકો પાઉલ અને તિમોથી. આપણા ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ બક્ષો. જયારે જયારે હું તમારું સ્મરણ કરું છું ત્યારે ત્યારે હું મારા ઈશ્વરનો આભાર માનું છું; અને જયારે હું તમારા સૌ માટે પ્રાર્થના કરું છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે. કારણ, શુભસંદેશના પ્રચારમાં પ્રથમ દિવસથી આજ સુધી તમે જે રીતે સહકાર આપ્યો તે મને યાદ આવે છે. મને ખાતરી છે કે તમારામાં સારા કાર્યની શરૂઆત કરનાર ઈશ્વર, ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસ સુધી તે કાર્યને સંપૂર્ણ કરતા જશે. તમે સૌ મારા હૃદયમાં વસેલા હોવાથી તમારે વિષે મને આવી લાગણી થાય એ વાજબી છે. મારા હાલના જેલવાસ દરમ્યાન અને જ્યારે શુભસંદેશનો બચાવ કે સમર્થન કરવા હું મુક્ત હતો ત્યારે પણ તમે સૌ કૃપામાં મારા સહભાગી થયા. એ માટે ઈસુ ખ્રિસ્તના હૃદયમાં તમારે માટે જેવો પ્રેમ છે તેવા પ્રેમથી તમારા બધાની હું કેવી ઝંખના રાખું છું તે વિષે ઈશ્વર મારા સાક્ષી છે. તમારે માટે મારી એવી પ્રાર્થના છે કે જ્ઞાનમાં અને સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ઉત્તરોતર વધતો જાય. જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પસંદ કરી શકો અને એમ તમે ખ્રિસ્તના આગમનના દિવસ સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ; અને ઈશ્વરનાં મહિમા અને સ્તુતિને અર્થે સદ્ભાવનાનાં સારાં ફળ જે માત્ર ઈસુ ખ્રિસ્તની મારફતે જ આવે છે તેથી તમે ભરપૂર થાઓ. ભાઈઓ, મને પડેલાં દુ:ખો શુભસંદેશના પ્રચારમાં મદદરુપ નીવડયાં છે એ તમે જાણો એવું હું ઇચ્છું છું. હું ખ્રિસ્તનો સેવક હોવાથી જેલમાં છું. એ વાત મહેલના આખા રક્ષકદળમાં અને અહીંના બીજા સૌ લોકોમાં જાહેર થઈ ગઈ છે. હું જેલમાં છું તેથી પ્રભુમાંના ઘણા ભાઈઓ વિશ્વાસ રાખીને પ્રભુના સંદેશ વિષે નિર્ભયતાથી બોલવા વિશેષ હિંમતવાન થયા છે. અલબત્ત, કેટલાક ઈર્ષા અને ચડસાચડસીથી ખ્રિસ્તનો પ્રચાર કરે છે, પણ કેટલાક સદ્ભાવનાથી પ્રેરાઈને કરે છે. જેઓ પ્રેમથી પ્રેરાઈને એ ક્મ કરે છે તેઓ જાણે છે કે હું શુભસંદેશના સમર્થન માટે નિમાયેલો છું. પણ બીજા તો નિખાલસ ભાવે નહિ, પણ જેલમાં હું વધુ દુ:ખી થાઉં તે માટે પ્રચાર કરે છે. પણ તેથી શું થયું? ચાહે તો ખરાબ હેતુથી કે સારા હેતુથી પણ શકાય તે સર્વ રીતે ખ્રિસ્તનો પ્રચાર કરવામાં આવે છે તેથી હું ખુશ છું, અને વળી હરખાઈશ. કારણ, હું જાણું છું કે, તમારી પ્રાર્થનાઓ દ્વારા અને ખ્રિસ્તના આત્માની મદદથી તે મારા છુટકારાને માટે ઉપયોગી થઈ પડશે. મારે કદી શરમાવું ન પડે એવી આક્ંક્ષા તથા આશા છે, પણ સર્વ સમયે અને ખાસ કરી હમણાં, ચાહે હું જીવું કે મરું પણ મારા શરીર દ્વારા હું પૂરી હિંમતથી ખ્રિસ્તને મહિમાવાન કરીશ મારે મન તો જીવવું એટલે ખ્રિસ્ત, અને મરવું તે વિશેષ લાભ છે. પણ જો મારા જીવન દ્વારા હું વધુ ઉપયોગી ક્મ કરી શકું તેમ હોય તો પછી મારે શું પસંદ કરવું તે વિષે હું ચોક્કસ કહી શકું તેમ નથી. આ બંનેની વચ્ચે હું મૂંઝવણમાં છું. આ જીવન ત્યજી દઈને ખ્રિસ્તની સાથે રહેવા હું ચાહું છું. કારણ, તે ઘણી રીતે ચઢિયાતું છે. પણ હું જીવતો રહું એ તમારે માટે વધારે અગત્યનું છે. મને આ વિષે ખાતરી હોવાથી હું જાણું છું કે હું જીવતો રહીશ અને તમારા વિશ્વાસની વૃદ્ધિ અને આનંદને માટે હું તમ સર્વની સાથે રહીશ. જેથી તમારી પાસે હું ફરીથી આવીશ ત્યારે ખ્રિસ્ત ઈસુમાં મારા વિષે ગર્વ કરવાનું તમને પૂરતું કારણ મળી રહેશે. હવે તમારું વર્તન ખ્રિસ્તના શુભસંદેશને અનુરૂપ રાખો. જેથી હું તમારી મુલાકાત લઉં કે પછી તમારાથી દૂર હોઉં, તો પણ તમારા વિષે મને સમાચાર મળે કે તમે સૌ એક યેયમાં સ્થિર રહીને એક મનથી શુભસંદેશના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો, અને વિરોધ કરનારાઓની જરાપણ બીક રાખતા નથી. તેમનો તો નાશ થશે પણ તમારો ઉદ્ધાર થશે એની ઈશ્વર તરફથી આ સ્પષ્ટ નિશાની છે. માત્ર ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલું જ નહિ, પણ તેમને માટે દુ:ખ સહન કરવું એ માટે તમને આ કૃપા આપવામાં આવી છે. ભૂતકાળમાં હું જે યુદ્ધ લડી રહ્યો હતો અને હાલ લડી રહ્યો છું એવું તમે સાંભળો છો, તે જ યુદ્ધમાં હવે તમે પણ મારી સાથે સામેલ છો. શું ખ્રિસ્તમાં તમારું જીવન તમને પ્રોત્સાહન આપે છે? શું તેમનો પ્રેમ તમને દિલાસો આપે છે? શું પવિત્ર આત્મા સાથે તમારી સંગત છે? શું તમને એકબીજાને માટે મમતા અને લાગણી છે? તો પછી મારી વિનંતી છે કે મારો આનંદ સંપૂર્ણ કરવા માટે તમે એક મનના થાઓ, એક્સરખો પ્રેમ બતાવો, એક જીવના તથા એક દિલના થાઓ. સ્વાર્થી મહત્ત્વાક્ંક્ષા અથવા મિથ્યાભિમાનથી કંઈ ન કરો; પણ એકબીજા પ્રત્યે નમ્રતા દાખવો અને પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણો. માત્ર પોતાના હિતનો જ નહિ, પણ બીજાઓના હિતનો ખ્યાલ રાખો ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું તમે પણ રાખો: પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં ઈશ્વર સાથેની તેમની સમાનતાને તે વળગી રહ્યા નહિ. એને બદલે, તેમણે સ્વેચ્છાપૂર્વક પોતાને ખાલી કર્યા અને દાસનું રૂપ ધારણ કર્યું. તે માણસ તરીકે જન્મ્યા અને માનવી સ્વરૂપે પ્રગટ થયા. તેમણે મરણ સુધીની, અરે, ક્રૂસ પરના મરણ સુધીની આધીનતા દાખવતાં પોતાને નમ્ર કર્યા. આ કારણથી ઈશ્વરે તેમને સર્વોચ્ચ સ્થાને મૂક્યા અને સૌ નામોમાં શ્રેષ્ઠ નામ આપ્યું; જેથી ઈસુના નામના સન્માન અર્થે આકાશમાંના, પૃથ્વી પરનાં તથા પૃથ્વી તળેનાં સૌ ધૂંટણે પડે, અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત તે જ પ્રભુ છે. આથી મારા પ્રિય મિત્રો, જ્યારે હું તમારી સાથે હતો ત્યારે તમે જેમ મને આધીન રહેતા હતા, તે જ પ્રમાણે હાલમાં જ્યારે હું તમારાથી દૂર છું ત્યારે પણ તમે આધીન રહો તે અગત્યનું છે. બીક તથા કંપારીસહિત તમારો ઉદ્ધાર સંપૂર્ણ કરવાને માટે યત્ન કર્યા કરો. કારણ, તમે ઈશ્વરના ઇરાદાઓને હંમેશાં જાણો અને આધીન થાઓ માટે તમારામાં તે કાર્ય કરે છે. બડબડાટ કે તકરાર કર્યા વગર બધું કરો; જેથી તમે અપ્રામાણિક અને ભ્રષ્ટ લોકો મયે ઈશ્વરનાં સંપૂર્ણ બાળકો તરીકે શુદ્ધ અને નિર્દોષ થાઓ. તેમની સમક્ષ જીવનનો સંદેશો આપતાં તમારે આકાશમાં પ્રકાશતા તારાઓની માફક પ્રકાશવું જોઈએ. જો તમે તેમ કરો, તો ખ્રિસ્તના આગમનના દિવસે મને અભિમાન કરવાનું કારણ મળશે કે મારો પ્રયત્ન અને મારું કાર્ય નિરર્થક ગયાં નથી. તમારા વિશ્વાસના અર્પણ પર જો મારે પેયાર્પણ તરીકે રેડાઈ જવું પડે તો તે માટે હું ખુશી છું અને તમારા સૌની સાથે આનંદ કરું છું. આ જ રીતે તમે પણ ખુશ થાઓ અને મારી સાથે આનંદ કરો. પ્રભુ ઈસુમાં હું આશા રાખું છું કે હું તિમોથીને જલદીથી તમારી પાસે મોકલી શકીશ; જેથી તમારા સમાચાર જાણીને મને નિરાંત વળે. એકલો તે જ એવો છે કે જે મારી લાગણીઓ સમજે છે અને તમારી બરાબર કાળજી રાખે છે. પરંતુ બીજા બધા તો ખ્રિસ્ત ઈસુની નહિ, પણ પોતાની જ વાતની ચિંતા રાખે છે. તેની યોગ્યતાની તમને પણ જાણ છે: જેમ પુત્ર પિતાની સાથે ક્મ કરે તેમ તેણે શુભસંદેશના પ્રચાર અર્થે મારી સાથે ક્મ કર્યું છે. મારું શું થવાનું છે તે મને ખબર પડે કે તરત જ હું તેને તમારી પાસે મોકલવાની આશા રાખું છું. અને હું પ્રભુમાં ભરોસો રાખું છું કે હું પણ તમારી પાસે જલદીથી આવી શકીશ. ભાઈ એપાફ્રોદિતસને તમારી પાસે મોકલવાની મને જરૂર જણાય છે. તેણે મારી સાથે રહીને સહકાર્યકર અને સાથી સૈનિક તરીકે કાર્ય કર્યું છે. તમારા સંદેશવાહક તરીકે તથા મારા મદદનીશ તરીકે તેણે મારી સેવા કરી છે. તે તમારા સૌની મુલાકાત લેવાને ઘણો આતુર છે. તે માંદો છે એવું તમે સાંભળ્યું છે તેથી તે ઉદાસ છે. ખરેખર તે મરણતોલ માંદો હતો, પણ ઈશ્વરે તેના પર દયા કરી. માત્ર તેના પર જ નહિ, પણ મારા પર પણ; એ માટે કે મને વધુ શોક ન થાય. તેને તમારી પાસે મોકલવાને મેં ઘણી ઉતાવળ કરી કે જેથી તમે તેને જોઈને ફરીથી હર્ષ પામો, અને મારું દુ:ખ દૂર થાય. પ્રભુમાં ભાઈ તરીકે સંપૂર્ણ આનંદથી તેનો સ્વીકાર કરજો અને એવા સર્વ માણસોને માન આપો. કારણ, ખ્રિસ્તના કાર્યને લીધે પોતાના જીવનું જોખમ વહોરીને, તે મરણની નજીક આવી ગયો. એ માટે કે જે મદદ તમે મને આપી શક્યા નહિ તે તેના દ્વારા પૂરી કરવામાં આવે. અંતમાં, મારા ભાઈઓ, પ્રભુમાં હંમેશાં આનંદ કરો. એની એ જ વાત ફરીથી લખતાં મને કંટાળો આવતો નથી. તે તો તમારી સલામતીને માટે છે. જેઓ ભૂંડું કરે છે અને વ્યર્થ સુન્‍નત પર ભાર મૂકે છે તેવા કૂતરા જેવા માણસોથી સાવધ રહો. આપણે ખરા સુન્‍નતી છીએ. કારણ, આપણે આત્માથી ઈશ્વરની ભક્તિ કરીએ છીએ અને ખ્રિસ્ત ઈસુમાં આનંદ કરીએ છીએ. આપણે બાહ્ય વિધિઓ પર ભરોસો રાખતા નથી. આવી બાબતોમાં જો કોઈ ધારે કે બાહ્ય વિધિઓથી તે સલામત છે તો તે પ્રમાણે ભરોસો રાખવાનાં મારે વધારે કારણો છે. જ્યારે હું આઠ દિવસનો હતો ત્યારે મારી સુન્‍નત કરવામાં આવી હતી. હું જન્મથી ઇઝરાયલી, બિન્યામીનના કુળનો છું અને મારામાં માત્ર હિબ્રૂ લોહી જ છે. યહૂદી નિયમશાસ્ત્રના ચુસ્ત પાલન સંબંધી જણાવું તો હું ફરોશી હતો, અને હું એટલો બધો ધગશવાળો હતો કે મેં મંડળીની સતાવણી કરી હતી. નિયમશાસ્ત્રની આજ્ઞાઓને આધીન થઈને ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈ શક્તું હોય તો હું નિયમશાસ્ત્ર પ્રમાણે નિર્દોષ છું. પણ જે બાબતોને મેં લાભદાયી ગણી હતી તે બધીને હવે ખ્રિસ્તને લીધે હું નુક્સાનકારક ગણું છું. ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેના જ્ઞાનના મૂલ્યને લીધે હું માત્ર એટલી જ બાબતો નહિ, પણ સર્વ બાબતોને નુક્સાનકારક ગણું છું. તેમને લીધે મેં બધી બાબતોને બાજુ પર ફેંકી દીધી છે. હું ખ્રિસ્તને પ્રાપ્ત કરી શકું માટે તે સર્વને કચરો ગણું છું. જેથી હું તેમની સાથે પૂરેપૂરી રીતે એકરૂપ થાઉં. નિયમના પાલન દ્વારા પ્રાપ્ત થતો ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ નહિ, પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ઈશ્વર સાથે સ્થપાતો સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ હું ધરાવું છું. આ સુમેળભર્યો સંબંધ ઈશ્વર પોતે જ સ્થાપિત કરે છે અને તે વિશ્વાસ પર આધારિત છે. આ જ મારી ઝંખના છે: હું ખ્રિસ્તને જાણું, તેમના સજીવન થવામાં પ્રગટ થયેલ સામર્થ્યનો અનુભવ કરું, તેમનાં દુ:ખોમાં ભાગ લઉં અને તે તેમના મરણમાં જેવા હતા તેવો બનું. વળી, એવી આશા રાખું છું કે, હું પણ મરણમાંથી સજીવન થાઉં. એ સર્વ બાબતો મેં પ્રાપ્ત કરી લીધી છે, કે હું સંપૂર્ણ થઈ ગયો છું એવો મારો દાવો નથી. પણ હું એને માટે આગળ ધપી રહ્યો છું, કારણ, ખ્રિસ્ત ઈસુએ મને એ મેળવવા માટે જીતી લીધો છે. જો કે ભાઈઓ, હું પહોંચી ગયો છું તેમ હું માનતો નથી. એક બાબત હું કરું છું: જે મારી પાછળ છે તેને હું ભૂલી જાઉં છું અને જે આગળ છે તે તરફ પહોંચવાને હું મારાથી બનતું બધું કરું છું. તેથી હું સીધો જ નિશાન તરફ દોડું છું, એ માટે કે મને ઈનામ મળે. એ ઈનામ તો ખ્રિસ્ત ઈસુની મારફતે ઉપરના જીવન માટે ઈશ્વરનું આમંત્રણ છે. આપણે સૌ જેઓ આત્મિક રીતે દૃઢ છીએ તેમણે આવું જ વલણ રાખવું જોઈએ. જો કે તમારામાંના કેટલાકનું વલણ જુદું હોય તો ઈશ્વર તેને સ્પષ્ટ કરશે. ગમે તે હોય, જે રીતે આપણે અત્યાર સુધી અનુસર્યા છીએ તે જ રીતે આગળ વધીએ. ભાઈઓ, તમે બધા મારું અનુકરણ કરો. અમે તમારે માટે યોગ્ય નમૂનો મૂક્યો છે; તેથી જેઓ તેને અનુસરે છે તેમના તરફ ધ્યાન આપો. મેં તમને પહેલાં આ બાબત ઘણી વાર જણાવી છે અને હાલ આંસુઓ સારતાં ફરીથી લખું છું: ખ્રિસ્તના ક્રૂસ પરનું મૃત્યુ જાણે તેમનું દુશ્મન હોય એવું જીવન ઘણા જીવે છે. તેઓ તેમના અંતિમ વિનાશ પ્રતિ ધસી રહ્યા છે. કારણ, પોતાની શારીરિક ઇચ્છાઓની પરિપૂર્તિ એ જ તેમનો દેવ છે. જેને માટે તેમને શરમ આવવી જોઈએ તે બાબતોમાં તેઓ અભિમાન કરે છે, અને આ દુનિયાનાં વાનાંમાં જ તેમનું ચિત્ત ચોંટેલું છે. પણ આપણે સ્વર્ગના નાગરિક છીએ અને આપણા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી પાછા આવે તેની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. જે સામર્થ્ય દ્વારા તે સર્વ બાબતોને પોતાના આધિપત્ય નીચે લાવી શકે છે તે જ સામર્થ્ય દ્વારા તે આપણા નાશવંત શરીરોને બદલી નાખશે અને તેમના મહિમાવંત શરીરના જેવાં બનાવશે. તેથી મારા ભાઈઓ, તમે મને કેવા પ્રિય છો! હું તમારી કેવી ઝંખના સેવું છું! તમે મને કેવો આનંદી કરો છો અને તમે જ મારું ગૌરવ છો! પ્રિય ભાઈઓ, પ્રભુમાં દૃઢ રહો. યુઓદિયા અને સુન્તુખેને હું આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે તેઓ પ્રભુનાં હોવાથી બન્‍ને બહેનો એક થવાને યત્ન કરે. મારા વિશ્વાસુ સાથી, મારે તને પણ વિનંતી કરવાની કે આ બંને સ્ત્રીઓને તું મદદ કરજે. કારણ, મારી સાથે તેમજ કલેમેન્ટ અને બીજા સર્વ સહકાર્યકરો, જેમનાં નામ ઈશ્વરે રાખેલા જીવંત લોકોની યાદીના પુસ્તકમાં લખેલાં છે તેમની સાથે શુભસંદેશના પ્રચારકાર્યમાં તેમણે સખત પરિશ્રમ કર્યો હતો. તમે સર્વદા પ્રભુમાં આનંદી રહો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. બધા પ્રત્યે સહનશીલતા દાખવો, પ્રભુ નિકટ છે. કોઈ બાબતની ચિંતા ન કરો. પણ તમારી સર્વ પ્રાર્થનાઓમાં, ઈશ્વરને તમારી જરૂરિયાતો માટે આભારી અંત:કરણ સાથે વિનંતી કરો. અને ઈશ્વરની શાંતિ જે માણસની સમજશક્તિની બહાર છે, તે તમારાં હૃદયોની અને મનોની ખ્રિસ્ત ઈસુમાં સંભાળ રાખશે. અંતમાં, મારા ભાઈઓ, સાચી, ઉમદા, ન્યાયી, શુદ્ધ, પ્રેમાળ અને સન્માનનીય એવી સારી ને સ્તુતિપાત્ર બાબતોનો વિચાર કરો. મારા શબ્દો અને મારા કાર્યની મારફતે તમે જે મારી પાસેથી શીખ્યા ને મેળવ્યું તેને વ્યવહારમાં ઉતારો અને આપણને શાંતિ આપનાર ઈશ્વર તમારી સાથે રહેશે. પ્રભુમાં મારું જે જીવન છે તેમાં મને ખૂબ આનંદ થાય છે કે તમે મારી સંભાળ રાખો છો તે બતાવવાની ઘણા વખત પછી તમને ફરીથી તક મળી છે. તમે મારી ચિંતા રાખવાનું મૂકી દીધું હતું એમ હું નથી કહેતો, પણ મારી કાળજી લેવાની તમને તક મળી ન હતી. મને તંગી પડી છે માટે હું બોલું છું એમ નથી, કારણ, મારી પાસે જે હોય તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. તંગીમાં તેમજ સમૃદ્ધિમાં રહેવાનું હું શીખ્યો છું. હું આ રહસ્ય પણ શીખ્યો છું: હું ધરાયેલો હોઉં કે ભૂખ્યો હોઉં, મારી પાસે થોડું હોય કે ઘણું હોય, તો પણ તેથી સર્વ જગ્યાએ અને સર્વ સમયે હું સંતોષથી રહી શકું છું. ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે અને તેથી હું સઘળું કરી શકું છું. પણ સારું થયું કે તમે મને મારી મુશ્કેલીઓમાં મદદ કરી. ઓ ફિલિપીઓ, તમે સારી રીતે જાણો છો કે શુભસંદેશના પ્રચારકાર્યના શરૂઆતના દિવસોમાં જયારે હું મકદોનિયાથી નીકળ્યો ત્યારે માત્ર તમારી જ મંડળીએ મને મદદ કરી હતી. એકલા તમે જ મારા સુખદુ:ખમાં ભાગીદાર થયા હતા. થેસ્સાલોનિક્માં મારે મદદની જરૂર હતી ત્યારે ઘણીવાર તમે મદદ મોકલી આપી હતી. હું માત્ર તમારી પાસેથી ભેટ મેળવવા માગતો ન હતો, પણ તમારા ખાતે તે લાભ ઉમેરાય તે હું જોવા માગતો હતો. મને બધું મળ્યું છે. મારી પાસે પુષ્કળ, બલ્કે જરૂર કરતાં વિશેષ છે. એપાફ્રોદિતસે તમારી સર્વ ભેટ મને આપી છે. એ તો સુવાસિત અર્પણ છે, ઈશ્વરને માન્ય અને પ્રિય એવું બલિદાન છે. અને મારા ઈશ્વર, ખ્રિસ્ત ઈસુમાં તેમની મહિમાવંત સંપત્તિમાંથી તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે. આપણા ઈશ્વરપિતાને સર્વકાળ મહિમા હો. આમીન. ખ્રિસ્ત ઈસુમાંના ઈશ્વરના સર્વ લોકને શુભેચ્છા. મારી સાથે જે ભાઈઓ છે તેઓ પોતાની શુભેચ્છા પાઠવે છે. ઈશ્વરના સર્વ લોક, અને ખાસ કરીને જેઓ રોમન બાદશાહના મહેલનાં છે તેઓ તમને શુભેચ્છા પાઠવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે રહો. ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત બનેલો પાઉલ તથા આપણા ભાઈ તિમોથી તરફથી: કોલોસેમાંના ઈશ્વરના લોક જેઓ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં આપણા ભાઈઓ છે તેમને આપણા ઈશ્વરપિતા કૃપા તથા શાંતિ બક્ષો. અમે તમારે માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરનો હંમેશાં આભાર માનીએ છીએ. અમે ખ્રિસ્ત ઈસુમાંના તમારા વિશ્વાસ અને ઈશ્વરના લોક પ્રત્યેના તમારા પ્રેમ વિષે સાંભળ્યું છે. તમે જેની આશા રાખો છો તે સ્વર્ગમાં સાચવી રખાયેલ છે અને એ આશા પર તમારા એ વિશ્વાસ અને પ્રેમનો આધાર છે. સાચો સંદેશ, એટલે શુભસંદેશ તમારી પાસે આવ્યો ત્યારે તેમાં જણાવેલી એ આશા વિષે તમે સૌ પ્રથમ સાંભળ્યું હતું. તમે પ્રથમ ઈશ્વરની કૃપા વિષે સાંભળ્યું અને તેની સત્યતા વિષે જાણ્યું એ દિવસથી તમારામાં જેમ બની રહ્યું છે તેમ જ શુભસંદેશ આશિષો લાવે છે અને સમગ્ર દુનિયામાં ફેલાય છે. ઈશ્વરની કૃપાનું એ સાચું સ્વરૂપ તમને સમજાવનાર અમારો પ્રિય સાથી સેવક એપાફ્રાસ હતો. તે તો આપણે માટે ખ્રિસ્તને વફાદાર કાર્યકર છે. પવિત્ર આત્માએ તમને આપેલા પ્રેમ વિષે તેણે અમને જણાવ્યું છે. આથી અમે તમારે વિષે સાંભળ્યું છે ત્યારથી અમે તમારે માટે પ્રાર્થનામાં માગવાનું ચૂક્તા નથી કે ઈશ્વર તમને પોતાની ઇચ્છાની જાણકારી તથા પવિત્ર આત્મા દ્વારા જ્ઞાન અને સમજથી ભરપૂર કરે. એથી તમે પ્રભુની ઇચ્છા પ્રમાણેનું જીવન જીવવા શક્તિમાન બનશો અને પ્રભુની પસંદગી પ્રમાણે કરશો. સર્વ સારાં કાર્યો કરવામાં તમારું જીવન ફળદાયી બનશે અને ઈશ્વર વિષેના જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામશો. ઈશ્વરના મહિમાવંત સામર્થ્યથી મળતી સર્વ તાક્ત વડે તમે બળવાન થાઓ કે જેથી તમે સર્વ બાબતો આનંદપૂર્વક ધીરજથી સહન કરી શકો. વળી, ઈશ્વરપિતાનો આભાર માનો કે જેમણે પ્રકાશના રાજ્યમાં પોતાના લોકને માટે અનામત રાખેલા વારસાના ભાગીદાર થવા માટે તમને યોગ્ય બનાવ્યા છે. તે આપણને અંધકારની સત્તામાંથી છોડાવીને પોતાના પ્રિય પુત્રના રાજમાં લાવ્યા છે. એમના પુત્ર દ્વારા આપણે મુક્ત થયા છીએ, એટલે કે, આપણને આપણાં પાપની માફી આપવામાં આવી છે. ખ્રિસ્ત તો અદૃશ્ય ઈશ્વરનું સાક્ષાત્ પ્રતિરૂપ છે. તે સકળ સર્જન પહેલાંના અને સર્વોપરી છે. કારણ, આકાશમાંની કે પૃથ્વી પરની, દૃશ્ય કે અદૃશ્ય બધી વસ્તુઓ એમના દ્વારા જ સર્જાઈ હતી; એમાં અપાર્થિવ રાજસત્તાઓ, અધિપતિઓ, શાસકો અને સત્તાધારીઓનો પણ સમાવેશ થઈ જાય છે; એ બધું તેમની મારફતે જ અને તેમને માટે જ સર્જાયું છે. તે સર્વ સર્જન પહેલાં હયાત હતા અને તે પોતામાં સર્વ સર્જનને યોગ્ય સ્થાને ધરી રાખે છે. તે તો પોતાના શરીરનું, એટલે કે, મંડળીનું શિર છે અને તે શરીરના જીવનનું ઉદ્ભવસ્થાન છે. તે ઈશ્વરના પ્રથમજનિત પુત્ર છે, અને માત્ર તેમને જ સર્વ સર્જનમાં પ્રથમસ્થાન મળે તે માટે તેમને મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે. પોતાના સમગ્ર સ્વત્વનો પૂરેપૂરો સંચય પુત્રમાં રહે એવું ઈશ્વરે ઇચ્છેલું છે. અને ઈશ્વરે પુત્રની મારફતે જ સમગ્ર વિશ્વને પોતાની તરફ લાવવાનું નક્કી કર્યું છે. ઈશ્વરે તેમના પુત્રના ક્રૂસ પરના બલિદાનના રક્ત દ્વારા શાંતિ સ્થાપીને પૃથ્વી પરની અને આકાશમાંની સર્વ વસ્તુઓનું પોતાની સાથે સમાધાન કરાવ્યું છે. એક વખતે તમે ઈશ્વરથી ઘણે દૂર હતા અને તમારાં દુષ્ટ કાર્યો અને વિચારોને કારણે તેમના શત્રુ હતા. પણ હવે ઈશ્વરપુત્રના શારીરિક મરણની મારફતે ઈશ્વરે તમને તેમના મિત્રો બનાવ્યા છે; જેથી તે તમને પોતાની સમક્ષ પવિત્ર, શુદ્ધ અને નિર્દોષ રજૂ કરી શકે. અલબત્ત, તમારે મજબૂત અને મક્કમ પાયા પર વિશ્વાસુપણે ચાલુ રહેવું જોઈએ, અને તમે શુભસંદેશ સાંભળ્યો ત્યારે તમને પ્રાપ્ત થયેલી આશામાંથી તમારે ચલિત થવું જોઈએ નહિ. એ શુભસંદેશ તો દુનિયામાં સૌને પ્રગટ કરવામાં આવ્યો છે અને હું પાઉલ એનો સેવક બન્યો છું. હું તમારે માટે દુ:ખ સહન કરું છું એનો મને આનંદ છે. કારણ, મંડળી, એટલે ખ્રિસ્તના શરીર માટે ખ્રિસ્તે વેઠેલાં દુ:ખો પછી મારે પોતે પણ મંડળી માટે સહન કરવાનાં દુ:ખોનો જે ભાગ બાકી છે તે હું પૂરો કરી રહ્યો છું. ઈશ્વરે મને મંડળીનો સેવક બનાવ્યો છે અને તમારા ભલાને માટે તેમણે મને આ ક્મ સોંપ્યું છે. આ કાર્ય તો તેમનો સંદેશો સંપૂર્ણ રીતે પ્રગટ કરવાનું છે. તેમણે એ માર્મિક સત્ય ઘણા યુગોથી અને ઘણી પેઢીઓથી ગુપ્ત રાખ્યું હતું, પણ હવે પોતાના લોકને તે જણાવ્યું છે. ઈશ્વરની યોજના આ છે: પોતાનું માર્મિક સત્ય પોતાના લોકને જણાવવું. આ ઉત્તમ અને મહિમાવંત માર્મિક સત્ય સર્વ પ્રજાઓ માટે છે, અને તે આ પ્રમાણે છે: ખ્રિસ્ત તમારામાં છે, અને તેથી તમે ઈશ્વરના મહિમાના ભાગીદાર થશો તેની તે આશા છે. તેથી અમે સર્વ માણસોની આગળ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. અમે સર્વ માણસોને જ્ઞાનપૂર્વક ચેતવણી આપીએ છીએ અને શીખવીએ છીએ કે જેથી અમે સૌને તેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી પરિપૂર્ણતા પ્રાપ્ત કરેલ વ્યક્તિઓ તરીકે ઈશ્વરની સમક્ષ રજૂ કરી શકીએ. એમ કરવાને માટે મારામાં કાર્ય કરી રહેલી અને ખ્રિસ્ત પાસેથી મળેલી મહાન શક્તિથી હું સખત પરિશ્રમ કરું છું અને ઝઝૂમું છું. તમારે માટે, લાઓદિકિયાના લોકોને માટે અને જેમને મારી પ્રત્યક્ષ ઓળખ નથી તે સર્વ માટે મેં કેવો સખત પરિશ્રમ કર્યો છે તે તમે જાણો એવું હું ઇચ્છું છું. એ માટે કે તમારાં સૌનાં હૃદય પ્રોત્સાહિત થાય અને તમે પ્રેમના બંધનમાં બંધાયેલા રહો અને પૂરી ખાતરીવાળી સમજની સમૃદ્ધિ સંપાદન કરો; જેથી ઈશ્વરનું રહસ્ય જે ખ્રિસ્ત છે તેમને તમે જાણી શકો. ખ્રિસ્તમાં જ ડહાપણ અને જ્ઞાનનો સર્વ સંગ્રહ છુપાયેલો છે. ઘણી સારી લાગતી હોય એવી જૂઠી દલીલોથી તમને કોઈ મૂર્ખ ન બનાવે; કારણ, જો કે હું શરીરે હાજર નથી તો પણ મારો આત્મા તમારી સાથે હોવાથી હું તમને એ જણાવું છું. તમે ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસમાં જે દૃઢતાથી ઊભા રહ્યા છો તે જોઈને મને આનંદ થાય છે. હવે તમે ખ્રિસ્ત ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર્યા છે, તેથી તેમને સુસંગત રહીને ચાલો. તેમનામાં તમારાં મૂળ ઊંડાં નાખો, તેમના પર તમારા જીવનનું બાંધક્મ કરો અને તમને શીખવવામાં આવ્યું છે તે પ્રમાણે તમારા વિશ્વાસમાં દૃઢ થાઓ અને આભારસ્તુતિ કરતા રહો. માનવી જ્ઞાનની નક્મી છેતરપિંડીથી તમને કોઈ ગુલામ ન બનાવી દે માટે સાવધ રહો. એ જ્ઞાન તો ખ્રિસ્ત પાસેથી નહિ, પણ માણસો પાસેથી ઊતરી આવેલ શિક્ષણ દ્વારા અને વિશ્વ પર શાસન કરતા આત્માઓ પાસેથી આવે છે. કારણ, ખ્રિસ્તના દેહધારીપણામાં ઈશ્વરનું સમસ્ત ઐશ્વર્ય સાકાર થઈ વસ્યું છે. અને તેમની સાથેના સંબંધને લીધે તમને ભરપૂર જીવન આપવામાં આવેલું છે. દરેક આત્મિક અધિકાર અને સત્તાની ઉપર ખ્રિસ્તની સત્તા છે. ખ્રિસ્તની સાથેના સંબંધમાં તમારી સુન્‍નત કરાઈ હતી. એ તો માણસ દ્વારા કરાયેલી શારીરિક સુન્‍નત નહિ, પણ ખ્રિસ્તે પોતે કરેલી આત્મિક સુન્‍નત છે, કે જેમાં તમને પાપી સ્વભાવમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. કારણ, જ્યારે તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું ત્યારે ખ્રિસ્તની સાથે તમારું દફન થયું અને બાપ્તિસ્મામાં તમે ખ્રિસ્તને સજીવન કરનાર ઈશ્વરના કાર્યશીલ સામર્થ્ય પર વિશ્વાસ મૂક્યો, તેથી તમને ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે. એક સમયે તમારાં પાપને લીધે અને તમારા સુન્‍નતવિહીન સ્વભાવને લીધે તમે આત્મિક રીતે મરેલા હતા. પણ હવે ઈશ્વરે ખ્રિસ્તની સાથે તમને સજીવન કર્યા છે. ઈશ્વરે આપણને આપણાં બધાં પાપની માફી આપી છે. આપણી વિરુદ્ધ જનાર ખતને તેના બંધનર્ક્તા નિયમો સહિત તેમણે ક્રૂસ પર જડી દઈને નાબૂદ કર્યું છે. અને તે ક્રૂસ પર ખ્રિસ્તમાં, આત્મિક અધિપતિઓ અને અધિકારીઓની સત્તા છીનવી લઈને તેમને પોતાની વિજયકૂચમાં ગુલામો બનાવી જાહેરમાં ફેરવ્યા છે. આથી તમારા ખાવાપીવા સંબંધી કે પવિત્ર દિવસોની બાબતમાં, ચાંદ્રમાસના પ્રથમ દિનનું પર્વ કે સાબ્બાથ સંબંધી કોઈની ટીકાઓ લક્ષમાં ન લો. આ બધી બાબતો થનાર બાબતોનો પડછાયો છે. ખ્રિસ્ત તે જ વાસ્તવિક્તા છે. નમ્રતાનો દેખાવ કરીને સ્વેચ્છાપૂર્વક વર્તનાર અને દૂતોની ભક્તિ પર ભાર મૂકનાર કોઈ માણસ તમારામાં ધુસણખોરી કરીને તમને ઈનામ માટે અયોગ્ય ન ઠરાવે. તેને જેનું દર્શન થયું નથી એવી બાબતો વિશે તે પોતાના દુન્યવી મનથી વ્યર્થ ફૂલાશ મારે છે, અને ખ્રિસ્ત જે શિર છે તેને વળગી રહેતો નથી. એ ખ્રિસ્તના શિરપદ નીચે રહેવાથી સમગ્ર શરીરનું પોષણ થાય છે, અને તે શરીર સાંધાઓ તથા મજ્જાઓ સુદ્ધાં જોડાઈને ઈશ્વર તરફથી પોષણ મેળવીને વૃદ્ધિ પામે છે. તમે ખ્રિસ્તની સાથે મરણ પામ્યા છો અને દુન્યવી નિયમોથી મુક્ત થયા છો. તો પછી તમે જાણે કે આ દુનિયાના હો તેમ કેમ જીવો છો? “આને હાથમાં લેવું નહિ,” “આને ચાખવું નહિ,” “પેલાનો સ્પર્શ કરવો નહિ,” એવા નિયમોને તમે કેમ આધીન થાઓ છો? આવી બધી બાબતો તો તેમનો એક વાર ઉપયોગ કર્યા પછી બિનઉપયોગી બની જાય છે. એ તો માત્ર માણસોએ ઘડેલા નિયમો અને તેમનું શિક્ષણ છે. જો કે, આવેશી ભક્તિ, દંભી નમ્રતા અને શારીરિક કષ્ટ પ્રેરનાર નિયમોમાં જ્ઞાનનો આભાસ તો થાય છે; પણ શારીરિક વાસનાઓને અંકુશમાં રાખવા તે કોઈ રીતે ઉપયોગી નથી. તમને ખ્રિસ્તની સાથે સજીવન કરવામાં આવ્યા છે. તો હવે સ્વર્ગમાંની બાબતોમાં તમારું મન પરોવો કે જ્યાં ઈશ્વરની જમણી તરફ ખ્રિસ્ત બિરાજેલા છે. તમારાં મન અહીં આ પૃથ્વી પરની બાબતો પર નહિ, પણ ત્યાં ઉપરની બાબતો પર લગાડો. કારણ, તમે મૃત્યુ પામ્યા છો, અને તમારું જીવન ખ્રિસ્તની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. ખ્રિસ્ત જ તમારું સાચું જીવન છે અને જ્યારે તે પ્રગટ થશે, ત્યારે તમે પણ તેમની સાથે મહિમામાં પ્રગટ થશો. તમારામાં કાર્ય કરતી પાર્થિવ ઇચ્છાઓ, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિકાર, દુષ્ટ વાસના, લોભ જે મૂર્તિપૂજા જ છે; તેમને તમે મારી નાખો. આવી બાબતોને લીધે ઈશ્વરને આધીન નહિ થનારાઓ પર તેમનો કોપ આવશે. એકવાર જ્યારે તમારું જીવન એ બાબતોના નિયંત્રણ નીચે હતું ત્યારે તમે પણ આવી વાસનાઓ પ્રમાણે જીવવાને ટેવાયેલા હતા. પણ હવે તમારે ગુસ્સો, રીસ, અદાવત, નિંદા કે તમારા મુખમાંથી નીકળતા અપશબ્દો એવી સર્વ બાબતોથી મુક્ત થવું જોઈએ. એકબીજા આગળ જૂઠું ન બોલો, કારણ, તમે જૂના વ્યક્તિત્વને તેની ટેવો સહિત ઉતારી મૂકાયું છે. અને તમે નવું વ્યક્તિત્વ પહેરી લીધું છે. તમે ઈશ્વરને પૂરેપૂરી રીતે જાણી શકો તે માટે આ નવા વ્યક્તિત્વના સર્જનહાર ઈશ્વર તેને પોતાનું પ્રતિરૂપ બનાવવા સતત નવું કરતા જાય છે; જેથી તમે ઈશ્વર વિષેનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકો. એમાં નથી કોઈ બિનયહૂદી કે યહૂદી, સુન્‍નતી કે સુન્‍નત વિનાના, બર્બર કે સિથિયન, ગુલામ કે સ્વતંત્ર. પણ ખ્રિસ્ત સર્વસ્વ અને સર્વમાં છે. તમે ઈશ્વરના લોક છો; તેમણે તમારા પર પ્રેમ કર્યો અને તમને પોતાના બનાવવા માટે પસંદ કર્યા છે. તેથી તમારે દયા, મમતા, નમ્રતા, સૌમ્યતા અને ધીરજ પહેરી લેવાં જોઈએ. એકબીજાનું સહન કરો અને જ્યારે તમારામાંથી કોઈને બીજાની વિરુદ્ધ કંઈ ફરિયાદ હોય તો તેને ક્ષમા કરો. પ્રભુએ તમને માફ કર્યું છે માટે તમારે પણ માફી આપવી જોઈએ. સર્વ બાબતોને સંપૂર્ણ સુસંગત બનાવનાર પ્રેમને આ સર્વ બાબતો સાથે જોડી દો. ખ્રિસ્ત જે શાંતિ આપે છે તે તમારાં હૃદયોમાં રાજ કરે. કારણ, આ જ શાંતિને માટે ઈશ્વરે તમને એક શરીર તરીકે આમંત્રણ આપ્યું છે. વળી, આભારી બનો. ખ્રિસ્તના સંદેશની સર્વ સમૃદ્ધિ તમારા હૃદયમાં વસે કે જેથી એકબીજાને સર્વ જ્ઞાનમાં શિક્ષણ અને શિખામણ આપો. ઈશ્વરને માટે તમારા હૃદયમાં આભાર સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનો ગાઓ. તમે જે કંઈ કરો કે કહો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો અને એ દ્વારા ખ્રિસ્તની મારફતે ઈશ્વરપિતાનો આભાર માનો. પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, કારણ, ખ્રિસ્તમાં તમારે તેમ કરવું યોગ્ય છે. પતિઓ, તમારી પત્નીઓ પર પ્રેમ કરો અને તેમના પ્રત્યે કઠોર ન થાઓ. બાળકો, તમારાં માતાપિતાને હંમેશાં આધીન રહેવું તે તમારી ખ્રિસ્તી ફરજ છે અને તેથી પ્રભુ પ્રસન્‍ન થાય છે. પિતાઓ, તમારાં બાળકોને ચીડવો નહિ, કારણ, તેથી તો તેઓ નિરાશ થાય છે. ગુલામો, સર્વ બાબતોમાં તમારા દુન્યવી માલિકોને આધીન થાઓ અને ફક્ત જ્યારે તેઓ તમારા પર નજર રાખે ત્યારે તેમની પ્રશંસા માટે નહિ, પણ પ્રામાણિક હૃદયથી અને પ્રભુનો ડર રાખીને તેમ કરો. તમારાં બધાં કાર્ય માણસોને માટે નહિ પણ જાણે કે પ્રભુને માટે છે તેમ સમજીને પૂરા દિલથી કરો. યાદ રાખો કે, પ્રભુ તમને બદલામાં તેમનો વારસો આપશે. કારણ, ખ્રિસ્ત તે ખરો માલિક છે કે જેની તમે સેવા કરો છો. પણ અન્યાય કરનાર પ્રત્યેકને તેનાં દુષ્ટ કાર્યોનો બદલો મળશે, કારણ, ઈશ્વર દરેકનો ન્યાય સમાન ધોરણે કરે છે. માલિકો, તમે તમારા ગુલામો પ્રત્યે ન્યાયી અને યોગ્ય વર્તન રાખો. આકાશમાં તમારા માલિક પણ છે તે વાત યાદ રાખો. જાગૃત રહીને સતત પ્રાર્થના કરો અને ઈશ્વરનો આભાર માનો. વળી, અમારે માટે પણ પ્રાર્થના કરો કે જેથી ઈશ્વર તેમનો શુભસંદેશ પ્રગટ કરવાની ઉત્તમ તક અમને આપે અને અમે ખ્રિસ્તનું રહસ્ય જણાવી શકીએ. એ જ કારણથી હું જેલમાં છું. વળી, હું સ્પષ્ટતાપૂર્વક પ્રચાર કરી શકું તે માટે પ્રાર્થના કરો. અવિશ્વાસીઓ સાથે સમજણપૂર્વક વર્તો અને તમને મળેલી દરેક તકનો ઉપયોગ કરો. તમારી વાણી હંમેશાં માુર અને સચોટ હોવી જોઈએ, જેથી દરેકને યોગ્ય જવાબ કેમ આપવો તે જાણી શકો. આપણો પ્રિય ભાઈ તુખિક્સ, જે પ્રભુના કાર્યમાં વિશ્વાસુ કાર્યકર અને સાથી સેવક છે તે મારા વિષેના સર્વ સમાચાર તમને જણાવશે. તે જ કારણથી હું તેને તમારી પાસે મોકલું છું, જેથી અમારા વિષેના સમાચાર તમને મળે અને તમે નિરાંત અનુભવો. તેની સાથે તમારી સંગતમાંનો પ્રિય તથા વિશ્વાસુ ભાઈ ઓનેસિમસ પણ આવે છે. તે તમને અહીંના બધા સમાચાર આપશે. આરિસ્તાર્ખસ, જે મારી સાથે જેલમાં છે તે તમને શુભેચ્છા પાઠવે છે. તેવી જ રીતે બાર્નાબાસનો ભાઈ માર્ક. (જેના સંબંધી તમને સૂચના મળેલી છે તે જો તમારી મુલાકાત લે તો તેનો આવકાર કરજો). અને ઈસુ ઉર્ફે યુસ્તસ પણ તમને શુભેચ્છા પાઠવે છે. યહૂદીઓમાંથી ખ્રિસ્તી થએલાંઓમાંથી ફક્ત આ ત્રણ જ ઈશ્વરના રાજને માટે મારી સાથે કાર્ય કરે છે અને તેઓ મને ખૂબ જ મદદરૂપ થઈ પડયા છે. તમારી સંગતનો સભ્ય એટલે ઈસુ ખ્રિસ્તનો સેવક એપાફ્રાસ તમને શુભેચ્છા પાઠવે છે. તે હંમેશાં તમારે માટે આગ્રહથી ઈશ્વરને પ્રાર્થના કરે છે કે, ઈશ્વરની ઇચ્છાની સંપૂર્ણ આધીનતામાં તમે સ્થિર રહો, પરિપકવ બનો અને પૂરી ખાતરી પામો. તમારે માટે તથા લાઓદિકિયા અને હિયરાપોલીસમાં તેણે કરેલા સખત કાર્યનો હું પોતે સાક્ષી છું. આપણો પ્રિય ચિકિત્સક લૂક. અને દેમાસ પણ તમને શુભેચ્છા પાઠવે છે. લાઓદિકિયાના ભાઈઓને તથા નુમ્ફા અને તેના ઘરમાં એકત્ર થતી મંડળીને અમારી શુભેચ્છા પાઠવજો. તમે આ પત્ર વાંચી લો પછી લાઓદિકિયાની મંડળીમાં પણ તે વંચાય તેનું ધ્યાન રાખજો. તેવી જ રીતે તેમના ઉપરનો પત્ર, તમે પણ વાંચજો. આર્ખિપસને જણાવજો કે, પ્રભુની સેવામાં તેને જે કાર્ય સોંપવામાં આવ્યું છે તે પૂર્ણ થવું જોઈએ. હું મારા પોતાના હાથથી આ અક્ષરો લખું છું: પાઉલની શુભેચ્છા. મારા હાથ પરની આ સાંકળો યાદ રાખજો. ઈશ્વરની કૃપા તમારી સાથે રહો. ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના થેસ્સાલોનિકાની મંડળીમાંના લોકને લખનાર પાઉલ, સિલાસ અને તિમોથી તરફથી શુભેચ્છા. તમારા ઉપર કૃપા અને શાંતિ થાઓ. તમારા બધાને માટે અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ, અને અમારી પ્રાર્થનાઓમાં તમને યાદ કરીએ છીએ. કેવી રીતે તમે તમારા વિશ્વાસને વ્યવહારમાં મૂક્યો, કેવી રીતે તમારા પ્રેમે તમને સખત ક્મ કરતાં શીખવ્યું અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારી આશા કેવી દૃઢ છે એ વાતોને અમે ઈશ્વરપિતા સમક્ષ નિરંતર યાદ કરીએ છીએ. ઈશ્વર તમારા પર પ્રેમ રાખે છે અને તેમના લોક થવા માટે તેમણે તમને પસંદ કર્યા છે, એ વાતની અમને ખાતરી છે. કારણ, અમે તમારી પાસે માત્ર શબ્દોમાં જ નહિ, પણ સામર્થ્ય, પવિત્ર આત્મા અને પૂર્ણ ખાતરી સહિત શુભસંદેશ લાવ્યા હતા. અમે તમારી સાથે હતા ત્યારે તમારા ભલા માટે કેવા પ્રકારનું જીવન જીવ્યા તે તમે જાણો છો. તમે અમારું અને પ્રભુનું અનુકરણ કર્યું છે અને જો કે તમારે ઘણું દુ:ખ સહન કરવું પડયું, તો પણ તમે તે સંદેશાને પવિત્ર આત્મા દ્વારા મળતા આનંદથી સ્વીકારી લીધો. આમ, તમે મકદોનિયા અને આખાયાના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ બન્યા છો. કારણ, પ્રભુ વિષેનો સંદેશો તમારી પાસેથી મકદોનિયા અને આખાયામાં પહોંચ્યો એટલું જ નહિ, પણ ઈશ્વરમાં તમે મૂકેલા વિશ્વાસના સમાચાર પણ સર્વત્ર પહોંચી ગયા છે. આથી અમારે કંઈ વિશેષ કહેવાની જરૂર નથી. કારણ, અમે તમારી પાસે આવ્યા ત્યારે તમે અમારો કેવો આવકાર કર્યો, કેવી રીતે તમે મૂર્તિઓ પાસેથી જીવતા અને સાચા ઈશ્વર તરફ તેમની સેવા કરવાને ફર્યા અને ઈશ્વરના પુત્ર, જેમને તેમણે મરેલાંમાંથી સજીવન કર્યા તે, એટલે આપણને આવનાર કોપથી બચાવનાર ઈસુના સ્વર્ગમાંથી આગમનની તમે કેવી રાહ જુઓ છો, એ વિષે એ લોકો પોતે જ પ્રચાર કરે છે. મારા ભાઈઓ, તમને ખબર છે કે અમે લીધેલી તમારી મુલાકાત નિષ્ફળ નીવડી નથી થેસ્સાલોનિકા આવ્યા પહેલાં અમારે ફિલિપીમાં જે દુ:ખો અને અપમાનો સહન કરવાં પડયાં તે વિષે તમે જાણો છો. જો કે ઘણો વિરોધ હતો છતાં ઈશ્વરે તેમનો શુભસંદેશ તમને જણાવવાને અમને હિંમત આપી હતી. તમારી પાસે અમે જે શુભસંદેશ લાવ્યા તેમાં કોઈ ભૂલ, બદઈરાદો કે કોઈ છેતરપિંડી નથી. એને બદલે, ઈશ્વર અમારી મારફતે જે જણાવવા માગે છે તે જ અમે જણાવીએ છીએ. કારણ, તેમણે અમને પસંદ કરીને શુભસંદેશ જાહેર કરવાનું કાર્ય સોંપ્યું છે. અમે માણસોની ખુશામત કરવા માગતા નથી. પણ અમારા ઈરાદા પારખનાર ઈશ્વરને અમે પ્રસન્‍ન કરીએ છીએ. તમને ખબર છે કે અમે તમારી પાસે આર્થિક લાભ માટે ખુશામતભરી કે કપટયુક્ત વાતો લઈને આવ્યા નહોતા. તે વિષે ઈશ્વર પણ અમારા સાક્ષી છે. તમે કે બીજા કોઈ અમારી પ્રશંસા કરે તે માટે અમે પ્રયત્ન કર્યો નથી. ખ્રિસ્તના પ્રેષિતો તરીકે અમે તમારી પાસેથી સેવાચાકરીની માગણી કરી હોત; પણ અમે તમારી સાથે હતા ત્યારે અમે માતાની મમતાથી તમારું જતન કર્યું હતું. અમને તમારા પર પ્રેમ હોવાથી તમને માત્ર શુભસંદેશ જણાવવા જ નહિ, પણ તમારે માટે મરવા પણ તૈયાર હતા. તમે અમને કેવા પ્રિય થઈ પડયા છો! તમને યાદ હશે, કે અમે રાતદિવસ કાર્ય કરવામાં કેવો કઠોર પરિશ્રમ કર્યો; એ માટે કે ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કરવામાં અમે તમને ભારરૂપ થઈએ નહિ. તમે પોતે તેમ જ ઈશ્વર પણ અમારા સાક્ષી છે કે તમ વિશ્વાસ કરનારાઓ પ્રત્યે અમારું વર્તન પવિત્ર, નિખાલસ અને નિર્દોષ હતું. તમે જાણો છો કે એક પિતા પોતાનાં બાળકો પ્રત્યે જેમ વર્તે તેમ અમે પણ તમ પ્રત્યેકની સાથે વત્યાર્ં છીએ. તમને પોતાનાં રાજ્ય અને મહિમાના ભાગીદાર થવા આમંત્રણ આપનાર ઈશ્વરને પસંદ પડે એવું જીવન તમે જીવો તે માટે અમે તમને બોધ કર્યો હતો, પ્રોત્સાહન આપ્યું હતું અને અનુરોધ કર્યો હતો. અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ, કારણ, અમે તમારી પાસે ઈશ્વરનો સંદેશો લાવ્યા ત્યારે તમે તેને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સાંભળ્યો અને તેનો સ્વીકાર કર્યો અને હકીક્તમાં તો તે ઈશ્વરનો જ સંદેશો છે. કારણ, તમ વિશ્વાસ કરનારાઓમાં ઈશ્વર કાર્ય કરી રહેલા છે. મારા ભાઈઓ, તમે યહૂદિયામાં આવેલી ઈશ્વરની મંડળીઓના લોકો, એટલે ખ્રિસ્ત ઈસુના અનુયાયીઓનો નમૂનો અનુસર્યા છો. યહૂદીઓ તરફથી તેમની જેવી સતાવણી કરવામાં આવી, તેવી તમારી સતાવણી તમારા દેશના લોકોએ પણ કરી છે. યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા સંદેશવાહકોને મારી નાખ્યા હતા અને અમારી પણ સતાવણી કરી હતી. તેઓ ઈશ્વરને કેટલા તિરસ્કારપાત્ર છે! સર્વ માણસો પ્રત્યે તેઓ કેવા ક્રૂર છે! તમ બિનયહૂદીઓનો ઉદ્ધાર થાય તે માટે સંદેશો પ્રગટ કરતાં તેમણે અમને પણ અટકાવવા પ્રયત્ન કર્યો. તેઓ જે પાપ કરતા આવ્યા છે તેની આ પરાક્ષ્ટા છે: હવે તેમના પર ઈશ્વરનો અત્યંત કોપ ઊતર્યો છે. મારા ભાઈઓ, થોડા સમયને માટે અમે તમારાથી જુદા પડયા હતા; જો કે અમે મનથી તો નહિ, પણ ફક્ત શારીરિક રીતે જ તમારાથી જુદા પડયા હતા. તમારી ખોટ સાલવાથી તમને ફરી મળવાને અમે કેવો પ્રયત્ન કર્યો! અમે તમારી પાસે ફરી આવવા માગતા હતા, અને મેં પાઉલે ઘણીવાર આવવા પ્રયત્ન કર્યો, પણ શેતાને અમને આવવા દીધા નહિ. છેવટે તમે જ અમારી આશા, આનંદ અને પ્રભુ ઈસુના આગમન સમયે તેમની સમક્ષ અમારી શોભાનો મુગટ છો. ખરેખર, તમે જ અમારો ગર્વ તથા આનંદ છો. છેવટે, અમે વધારે સતાવણી સહન ન કરી શક્યા તેથી અમે એથેન્સમાં એકલા રહેવાનું નક્કી કર્યું; જ્યારે અમે ખ્રિસ્તનો શુભસંદેશ પ્રગટ કરવાના ઈશ્વરના કાર્યમાં અમારા સહકાર્યકર, આપણા ભાઈ તિમોથીને તમને દૃઢ કરવા અને તમારા વિશ્વાસમાં મદદ કરવા માટે મોકલ્યો, કે જેથી તમારામાંનો કોઈ આ સતાવણીમાં પીછેહઠ ન કરે. તમે જાણો છો કે આવી સતાવણીઓ ઈશ્વરની ઇચ્છા મુજબની છે. કારણ, અમે તમારી સાથે હતા ત્યારે અમે તમને પહેલેથી જણાવ્યું હતું કે, આપણી સતાવણી થશે, અને હકીક્તમાં તેમ જ બન્યું છે. હું વધુ સમય રાહ જોઈ શક્યો નહિ, તેથી તમારા વિશ્વાસ વિષેના સમાચાર જાણી લાવવા મેં તિમોથીને મોકલ્યો; કદાચ શેતાને તમારી પરીક્ષા કરી હોય અને અમારું કાર્ય નિરર્થક થયું હોય. હવે તિમોથી તમારી મુલાકાત લઈને પાછો આવી ગયો છે અને તમારા પ્રેમ અને વિશ્વાસ સંબંધી સારા સમાચાર લાવ્યો છે. તમે હંમેશાં અમારું ભલું ઇચ્છો છો અને જેમ અમે તમને મળવાની ઇચ્છા રાખીએ છીએ તેમ તમે પણ અમને મળવા આતુર છો એવું તેણે અમને જણાવ્યું છે. આથી અમારી સર્વ મુશ્કેલીઓ અને અમારાં દુ:ખોમાં તમારા વિશ્વાસથી અમને નિરાંત વળી છે. કારણ, પ્રભુમાં તમારું જે જીવન છે તેમાં તમે દૃઢ રહો તો અમે જીવીએ છીએ. તમારે લીધે ઈશ્વરની સમક્ષ અમને મળતા આનંદને લીધે અમે તેમનો આભાર માનીએ છીએ. અમે ઈશ્વરને ખરા અંત:કરણથી રાતદિવસ પ્રાર્થના કરીએ છીએ; જેથી અમે તમને રૂબરૂ મળી શકીએ અને તમારા વિશ્વાસમાં જે કંઈ ઊણપ હોય તે પૂરી કરી શકીએ. આપણા ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ તમારી પાસે આવવાની અમને તક આપો. પ્રભુ એવું કરો કે અમે તમારા પર જેવો પ્રેમ રાખીએ છીએ તેવો જ પ્રેમ તમે પણ એકબીજા પર રાખો અને સર્વ લોક પર પ્રેમ કરવામાં વૃદ્ધિ પામતા જાઓ, આ રીતે તમે તમારાં મન દૃઢ કરો, જેથી આપણા પ્રભુ ઈસુ પોતાના લોક સાથે આવે ત્યારે ઈશ્વરપિતાની સમક્ષ તમે સંપૂર્ણ અને પવિત્ર થાઓ. ભાઈઓ, ઈશ્વરને પ્રસન્‍ન કરવા માટે તમારે કેવા પ્રકારનું જીવન જીવવું તે વિષે તમે અમારી પાસેથી શીખ્યા, અને એ જ પ્રમાણે તમે જીવો છો. પણ હવે અમે તમને પ્રભુ ઈસુના નામમાં વિનંતી અને ઉદ્બોધન કરીએ છીએ કે એ રીતે જીવવામાં વધારે પ્રગતિ કરો. અમે તમને પ્રભુ ઈસુને નામે આપેલા શિક્ષણની તો તમને ખબર છે. તમારે માટે ઈશ્વરની એવી ઇચ્છા છે કે તમે પવિત્ર થાઓ અને વ્યભિચાર ન કરો. તમારામાંના દરેકે પોતાની પત્ની સાથેનો પવિત્ર અને સન્માનનીય સંબંધ જાળવી રાખવો જોઈએ. અને ઈશ્વરને નહિ ઓળખનાર વિધર્મીઓની જેમ વિષયવાસનામાં રાચવું જોઈએ નહિ. આ બાબતમાં કોઈ પોતાના ભાઈનું ખોટું ન કરે કે તેનો ગેરલાભ ન ઉઠાવે. અમે પહેલાં પણ તમને આ વાત જણાવી હતી, અને હવે કડક ચેતવણી આપીએ છીએ કે એવું કરનારાઓને પ્રભુ શિક્ષા કરશે. ઈશ્વરે આપણને અશુદ્ધ જીવન માટે નહિ, પણ પવિત્ર જીવન જીવવાને માટે આમંત્રણ આપ્યું છે. તેથી જે કોઈ આ શિક્ષણનો અનાદર કરે છે તે માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે. તમારા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખવાની બાબત વિષે લખવાની કોઈ જરૂર નથી. તમારે એકબીજા પર કેવો પ્રેમ રાખવો જોઈએ તે ઈશ્વરે જ તમને શીખવ્યું છે. અને એ જ રીતે તમે મકદોનિયાના સર્વ ભાઈઓ પર પ્રેમ રાખો છો. ભાઈઓ, તમે એથી પણ વિશેષ પ્રેમ રાખો તેવી અમારી આગ્રહભરી વિનંતી છે. શાંતિમય જીવન જીવવાનું યેય રાખો. પોતાના કાર્યમાં રત રહો, અને અમે તમને અગાઉ જણાવ્યું તેમ તમે જાતમહેનતથી પોતાનું ભરણપોષણ કરો. એ રીતે, જેઓ વિશ્વાસીઓ નથી તેઓ તરફથી પણ તમને માન મળશે અને તમારે તમારી જરૂરિયાતો માટે બીજાઓ પર આધાર રાખવો પડશે નહિ. ભાઈઓ, મૃત્યુ પામેલાંઓ વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી. જેમને કંઈ આશા નથી તેમની માફક તમે દુ:ખી થાઓ નહિ. આપણે માનીએ છીએ કે ઈસુ મૃત્યુ પામ્યા; અને સજીવન થયા. તેથી જેઓ ઈસુ પર વિશ્વાસ કર્યા પછી મરણ પામ્યા તેમને ઈશ્વર ઈસુની સાથે લાવશે તેવું પણ આપણે માનીએ છીએ. પ્રભુનું આ શિક્ષણ અમે તમને જણાવીએ છીએ: પ્રભુના આગમનને દિવસે આપણે જેઓ જીવંત હોઈશું તેઓ, જેઓ મૃત્યુ પામેલાં છે તેમના કરતાં આગળ જઈશું એવું નથી. હુકમ અપાશે, મુખ્ય દૂતનો અવાજ સંભળાશે, ઈશ્વરનું રણશિંગડું વાગશે, અને પ્રભુ પોતે સ્વર્ગમાંથી ઊતરી આવશે. જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને મૃત્યુ પામ્યાં છે તેઓ પ્રથમ સજીવન થશે. ત્યાર પછી જ તે સમયે આપણે જેઓ જીવંત હોઈશું તેઓ તેમની સાથે આકાશમાં પ્રભુને મળવાને માટે વાદળોમાં ઊંચકાઈ જઈશું. અને એમ આપણે હંમેશાં પ્રભુની સાથે રહીશું. તેથી આ વચનો કહીને એકબીજાને પ્રોત્સાહન આપો. ભાઈઓ, કયા દિવસે અને કયા સમયે આ બધા બનાવો બનશે તે સંબંધી તમને લખવાની કંઈ જરૂર ન હોય. તમને ખબર છે કે જેમ રાત્રે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. જ્યારે લોકો “શાંતિ છે; શાંતિ છે” એમ કહેતા હશે, ત્યારે જેમ પ્રસૂતિની વેદના અચાનક ઊપડે છે તેમ તેમના પર એકાએક વિનાશ આવી પડશે અને બચાવનો કોઈ ઉપાય રહેશે નહિ. પણ ભાઈઓ, તમે એ વિષે અજાણ નથી કે તે દિવસ તમારા પર ચોરની જેમ અચાનક આવી પડે. તમે સર્વ પ્રકાશના અને દિવસના લોક છો. આપણે અંધકારના કે રાત્રિના લોક નથી. તેથી આપણે બીજાઓની જેમ ઊંઘીએ નહિ, પણ જાગૃત અને સાવધ રહીએ. ઊંઘનારા રાત્રે ઊંઘી જાય છે અને રાત્રે દારૂડિયા દારૂ પીને ચકચૂર બને છે. પણ આપણે દિવસના હોવાથી સાવધ રહીએ અને વિશ્વાસ અને પ્રેમનું બખ્તર તથા ઉદ્ધારની આશાનો ટોપ પહેરીએ. ઈશ્વરે આપણને કોપને માટે નહિ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઉદ્ધાર પામીએ તે માટે પસંદ કર્યા છે. પ્રભુ ઈસુ આપણે માટે મરણ પામ્યા; જેથી આપણે જીવતા હોઈએ કે મરી ગયા હોઈએ પણ આપણે તેમની સાથે જ રહીએ. આ કારણથી જેમ તમે હાલ કરો છો તેમ, એકબીજાને પ્રોત્સાહન આપો અને એકબીજાને ઉત્કર્ષમાં મદદ કરો. ભાઈઓ, અમારી તમને આગ્રહભરી વિનંતી છે કે તમારી મયે ક્મ કરનાર જેઓ પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને દોરવણી આપે છે, તેમને તેમના કાર્યને લીધે પ્રેમપૂર્વક સન્માનપાત્ર ગણો. ભાઈઓ, અમારી તમને આવી વિનંતી છે: આળસુને ઠપકો આપો, બીકણોને હિંમત આપો, નિર્બળોને મદદ કરો, સઘળાંની સાથે ધીરજપૂર્વક ક્મ કરો. કોઈ દુષ્ટતાનો બદલો દુષ્ટતાથી ન વાળે. પણ સર્વ સમયે એકબીજાનું અને સર્વ લોકનું ભલું કરવાનું યેય રાખો. હંમેશાં આનંદી રહો. નિત્ય પ્રાર્થના કરો. સર્વ સંજોગોમાં ઈશ્વરનો આભાર માનો. તમે ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી તમારે વિષે ઈશ્વરની એ જ ઇચ્છા છે. પવિત્ર આત્મા દ્વારા પ્રજવલિત જ્યોત બૂઝાવશો નહિ. ઈશ્વરપ્રેરિત સંદેશાઓને તુચ્છકારશો નહિ. સર્વ બાબતોની પારખ કરો, અને તેમાંથી સારું હોય તેને વળગી રહો. અને સર્વ પ્રકારની ભૂંડાઈથી દૂર રહો. આપણને શાંતિ આપનાર ઈશ્વર તમને સંપૂર્ણપણે પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના સમયે તમારા આત્મા, પ્રાણ અને શરીરને એટલે, તમારા સમગ્ર વ્યક્તિત્વને સર્વ પ્રકારે નિષ્કલંક રાખો. તમને આમંત્રણ આપનાર ઈશ્વર તેમ કરશે, કારણ, તે વિશ્વાસુ છે. ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો. સર્વ ભાઈઓને પ્રેમના પ્રતીકરૂપ ચુંબનથી શુભેચ્છા પાઠવજો. આપણા પ્રભુના સમ દઈને કહું છું કે સર્વ ભાઈઓને આ પત્ર વાંચી સંભળાવજો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારી સાથે રહો. થેસ્સાલોનિક્માંની મંડળીના સૌ લોકને લખનાર ઈશ્વરપિતામાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાઉલ, સિલ્વાનસ અને તિમોથી. ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમને કૃપા અને શાંતિ બક્ષો. ભાઈઓ, તમારે માટે અમારે સર્વ સમયે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. એમ કરવું અમારે માટે યોગ્ય છે, કારણ, તમારો વિશ્વાસ ઘણો વૃદ્ધિ પામતો જાય છે અને બીજાઓ પ્રત્યેનો તમારો પ્રેમ વધતો જાય છે. સર્વ સતાવણીઓ અને દુ:ખોમાંથી પસાર થઈ ચૂકયા હોવા છતાં તમે તે સહન કરો છો અને વિશ્વાસ રાખો છો, તેથી અમે ઈશ્વરની મંડળીઓમાં તમારે માટે ગર્વ લઈએ છીએ. એ જ ઈશ્વરના સાચા ન્યાયની સાબિતી છે. કારણ, દુ:ખ સહન કરવાથી તમે ઈશ્વરના રાજને માટે યોગ્ય ગણાશો. ઈશ્વર યથાયોગ્ય જ કરશે: જેઓ તમને દુ:ખ દે છે તેમના પર ઈશ્વર દુ:ખ લાવશે. વળી, ઈશ્વર અમારી સાથે તમ સહન કરનારાઓને રાહત આપશે. પ્રભુ ઈસુ તેમના શક્તિશાળી દૂતોની સાથે ભભૂક્તી અગ્નિજ્વાળા સાથે સ્વર્ગમાંથી પ્રગટ થશે. ત્યારે જેઓ ઈશ્વરને ઓળખતા નથી અને આપણા પ્રભુ ઈસુ સંબંધીના શુભસંદેશને આધીન થતા નથી તેમને ઈશ્વર પૂરેપૂરી શિક્ષા કરશે. તેઓ પ્રભુની હાજરીમાંથી અને તેમના મહિમાવંત સામર્થ્યમાંથી અલગ રહેશે અને સાર્વકાલિક નાશની શિક્ષા ભોગવશે. જયારે સર્વ લોકની પાસેથી મહિમા અને સર્વ વિશ્વાસીઓ પાસેથી માન મેળવવાને ઈસુ આવશે તે દિવસે આમ બનશે. અમે તમને જણાવેલા સંદેશા પર તમે વિશ્વાસ કર્યો હોવાથી તમે પણ તેમનામાં હશો. એટલે જ અમે હંમેશાં તમારે માટે પ્રાર્થના કરીએ છીએ કે, ઈશ્વરે તમને જે જીવન જીવવાને માટે આમંત્રણ આપ્યું છે તે જીવવાને તમે યોગ્ય થાઓ. તે પોતાની શક્તિથી સારાં ક્મ કરવા માટે તમારી સર્વ ઇચ્છાઓ પૂરી કરો અને વિશ્વાસનું તમારું કાર્ય સંપૂર્ણ કરો. આ રીતે આપણા ઈશ્વરની અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાને લીધે તમારાથી પ્રભુ ઈસુના નામને મહિમા મળશે અને તેમના તરફથી તમને મહિમા મળશે. હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન અને તેમની પાસે આપણા એકત્ર થવા સંબંધી અમે તમને જણાવીએ છીએ કે, પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવી પહોંચ્યો હોય તેમ આત્મા દ્વારા કહેલી કોઈ કહેવાતી ભવિષ્યવાણી, સંદેશ અથવા અમારા તરફથી પત્ર આવ્યો હોવાનો દાવો કરીને કોઈ તમને ગૂંચવણમાં કે તણાવમાં નાખી ન દે. કોઈ તમને છેતરી ન જાય માટે સાવધ રહો. કારણ, પ્રભુનું આગમન થાય તે પહેલાં પ્રથમ ઈશ્વર વિરુદ્ધ બળવો થશે અને વિનાશને માટે નિર્માણ થયેલ વ્યક્તિ એટલે દુષ્ટ પુરુષ પ્રગટ થશે. માણસો જેનું ભજન કરે છે અને જેને દેવ માને છે તે સર્વનો તે દુષ્ટ વ્યક્તિ નકાર કરશે. એ બધા કરતાં પોતાને મોટો મનાવશે, અને ઈશ્વરના મંદિરમાં પણ જઈને તેમને સ્થાને બેસીને ઈશ્વર હોવાનો દાવો કરશે. હું તમારી સાથે હતો ત્યારે આ બધું મેં તમને જણાવ્યું હતું એ શું તમને યાદ નથી? તેને પ્રગટ થતાં શું અટકાવે છે તે તમે જાણો છો. નિયત સમયે એ દુષ્ટ પ્રગટ થશે. પણ દુષ્ટતાનાં રહસ્યમય પરિબળો ક્યારનાંયે કાર્યરત થઈ ચૂક્યાં છે. પણ જે બનવાનું છે તેને રોકી રાખનારને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી તે બનવાનું નથી. પછી એ દુષ્ટ પ્રગટ થશે અને પ્રભુ ઈસુ ફૂંકથી તેને મારી નાખશે અને તેમના આગમનના મહિમાવંત સામર્થ્યથી તેનો નાશ કરશે. એ દુષ્ટ વ્યક્તિ શેતાનની શક્તિ સહિત આવશે અને સર્વ પ્રકારના ચમત્કારો, જુઠ્ઠી નિશાનીઓ અને અદ્‍ભુત કાર્યો કરી બતાવશે. જેઓ નાશ પામવાના છે તેમની તે સર્વ પ્રકારે ભૂંડી છેતરપિંડી કરશે. બચાવને અર્થે જે પ્રેમ અને સત્યનો આવકાર કરવાનો છે, તે નહિ કરવાથી તેઓ નાશ પામશે. આ કારણને લીધે જ ઈશ્વર તેમને ગૂંચવણમાં પડવા દે છે, જેથી તેઓ જુઠ્ઠી વાત માની લે. પરિણામે, જેમણે સત્ય પર વિશ્વાસ કર્યો નથી અને પાપમાં મોજમઝા માણી છે તેઓ સર્વને શિક્ષા થાય. ભાઈઓ, તમે ઈશ્વરને પ્રિય છો અને તમારે માટે અમારે હંમેશાં ઈશ્વરનો આભાર માનવો જોઈએ. પવિત્ર આત્માની શક્તિથી અને સત્ય પરના તમારા વિશ્વાસથી તમારો ઉદ્ધાર થાય તે માટે ઈશ્વરે તમને પ્રથમથી જ પસંદ કર્યા છે; જેથી તમે ઈશ્વરના પવિત્ર લોક બનો. અમે તમને જણાવેલા શુભસંદેશની મારફતે તમે આપણા પ્રભુ ઈસુના ભાગીદાર બનો તે માટે ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું છે. આથી ભાઈઓ મક્કમ રહેજો અને જે સત્યનું શિક્ષણ અમે તમને પત્રથી અને સંદેશાથી આપ્યું છે તેને વળગી રહેજો. હવે આપણા પ્રભુ ઈસુ પોતે તથા આપણા પર પ્રેમ કરનાર અને આપણને સાર્વકાલિક દિલાસો આપનાર અને કૃપા દ્વારા સારી આશા આપનાર ઈશ્વર આપણા પિતા તમારાં હૃદયોને શાંતિ આપો અને સર્વ સારાં કાર્યો કરવામાં તથા સારું બોલવામાં તમને દૃઢ કરો. અંતે, ભાઈઓ અમારે માટે પ્રાર્થના કરો; જેથી તમારે ત્યાં થઈ રહ્યું છે તેમ બધી જગ્યાએ ઈશ્વરના સંદેશાનો પ્રચાર ઝડપથી થાય અને સારી પ્રગતિ થાય. ઈશ્વર અમને દુષ્ટ અને ભૂંડા માણસોથી બચાવે તેને માટે પણ પ્રાર્થના કરો. કારણ, બધા લોકો કંઈ સંદેશા પર વિશ્વાસ કરતા નથી. પણ પ્રભુ વિશ્વાસુ છે; તે તમને બળવાન બનાવશે અને શેતાનથી તમને બચાવશે. તમારા સંબંધી પ્રભુમાં અમને ભરોસો છે. અમે તમને જે જે જણાવ્યું તે પ્રમાણે તમે સારી પ્રગતિ કરી રહ્યા છો અને તેમ કરવાનું ચાલુ રાખશો તેવી અમને ખાતરી છે. પ્રભુ તમારાં હૃદયોને ઈશ્વર તરફ વાળો અને ખ્રિસ્તની મારફતે મળતી ધીરજ તમને પ્રાપ્ત થાઓ. ભાઈઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે તમને આજ્ઞા કરીએ છીએ: જે કોઈ ભાઈ આળસુ જીવન જીવે છે અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી અલગ રહો. તમારે અમારું અનુકરણ કરવું જોઈએ, તે તમે જાણો છો. કારણ, અમે તમારી સાથે હતા ત્યારે આળસુ ન હતા. અમે કોઈનું મફત ખાધું નથી. અમે સખત પરિશ્રમ સહિત રાતદિવસ ક્મ કરતા રહ્યા; જેથી તમારામાંના કોઈને અમે બોજારૂપ ન થઈ પડીએ. અમને મદદ મળે એવો હક્ક તો અમને હતો, પણ અમારા વર્તનથી તમને નમૂનો મળે માટે અમે તેમ કર્યું. જ્યારે અમે તમારી સાથે હતા ત્યારે અમે તમને જણાવ્યું હતું: “જે કોઈ ક્મ ન કરે તેને જમવાનું આપવું નહિ.” અમને સાંભળવા મળ્યું છે કે તમારામાંના કેટલાક લોકો આળસુ જીવન જીવે છે, કશું જ ક્મ કરતા નથી અને બીજાના ક્મમાં માથું મારે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એવા લોકોને અમે આજ્ઞા કરીએ છીએ અને ચેતવણી આપીએ છીએ કે, તેમણે શાંતિપૂર્વક જાતમહેનતથી પોતાનું ભરણપોષણ કરવું જોઈએ. પ્રિય ભાઈઓ, ભલું કરવામાં થાકશો નહિ, તમારામાંના કેટલાક આ પત્રમાં જણાવેલી સૂચના માનશે નહિ. જો તેમ બને તો તમે તેવાની સાથે કોઈ જાતનો વ્યવહાર રાખશો નહિ, જેથી તેઓ શરમાઈ જાય. તેની તરફ દુશ્મન તરીકે ન જોશો, પણ એક ભાઈ તરીકે ચેતવણી આપજો. શાંતિદાતા પ્રભુ પોતે તમને સર્વ સમયે અને દરેક રીતે શાંતિ બક્ષો. પ્રભુ તમ સર્વની સાથે રહો. મારે પોતાને હાથે હું આ લખું છું: પાઉલની શુભેચ્છા. આ રીતે દરેક પત્રમાં હું સહી કરું છું. આ જ પ્રમાણે હું લખું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વની સાથે રહો. ઈશ્વર આપણા ઉદ્ધારક અને ઈસુ ખ્રિસ્ત જે આપણી આશા છે તેમની આજ્ઞાથી ઈસુ ખ્રિસ્તના પ્રેષિત થએલા પાઉલ તરફથી વિશ્વાસમાં મારા સાચા પુત્ર તિમોથીને શુભેચ્છા. ઈશ્વરપિતા અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તને કૃપા, દયા અને શાંતિ બક્ષો. મકદોનિયા જતી વખતે મેં તને વિનંતી કરી હતી તેમ તું એફેસસમાં રોકાઈ જા એવી મારી ઇચ્છા છે. ત્યાં કેટલાક લોકો જૂઠા સિદ્ધાંતો શીખવે છે અને તેમ ન કરવા તારે તેમને આજ્ઞા કરવી જોઈએ. તેમને જણાવ કે તેઓ કલ્પિત કથાઓ અને વંશાવળીઓની લાંબી યાદીઓ પ્રત્યે ધ્યાન ન આપે. કારણ, તેથી તો વાદવિવાદ જ થાય છે અને વિશ્વાસથી પ્રગટ થતો ઈશ્વરનો ઈરાદો પૂર્ણ થતો નથી. એ આજ્ઞાનો હેતુ શુદ્ધ હૃદય, સ્પષ્ટ પ્રેરકબુદ્ધિ અને દંભરહિત વિશ્વાસથી પ્રેમ પેદા કરવાનો છે. કેટલાક માણસો આ બાબતો ચૂકી ગયા છે અને અર્થવિહીન ચર્ચાઓ તરફ વળ્યા છે. તેઓ નિયમશાસ્ત્રના શિક્ષક બનવા માંગે છે, પણ તેમની પોતાની જ વાતો અને જે બાબતો વિષે તેઓ બહુ જ ખાતરીથી બોલે છે તે પોતે જ સમજતા નથી. તમને ખબર છે કે નિયમશાસ્ત્રનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે. છતાં યાદ રાખવું જોઈએ કે નિયમ સારા માણસ માટે નહિ, પણ નિયમભંગ કરનારાઓ અને ગુનેગારો, નાસ્તિક ને પાપી, અપવિત્ર ને અધર્મી, માતપિતાને મારી નાખનારાઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાતીય વિકૃતિ ધરાવનારાઓ, અપહરણ કરનારાઓ, જૂઠ બોલનારા અને જૂઠી સાક્ષી આપનારા તથા સાચા શિક્ષણની વિરુદ્ધ આચરણ કરનારા માટે છે. આ સાચું શિક્ષણ સ્તુત્ય ઈશ્વરના ગૌરવવંતા શુભસંદેશ પ્રમાણે છે અને એ શુભસંદેશ મને જાહેર કરવાનું જણાવાયું છે. મને સામર્થ્ય આપનાર ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુનો હું આભાર માનું છું. જો કે ભૂતકાળમાં હું તેમની નિંદા અને સતાવણી તેમજ તેમનું અપમાન કરતો હોવા છતાં તેમણે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવાને માટે મારી નિમણૂક કરી છે. મારા અવિશ્વાસને લીધે મેં અજ્ઞાનતામાં એ કર્યું હોવા છતાં ઈશ્વર મારા પ્રત્યે દયાળુ હતા અને આપણા પ્રભુએ મારા જીવનમાં તેમની કૃપા ભરપૂરીથી રેડી દીધી. અને ખ્રિસ્ત ઈસુની મારફતે જે વિશ્વાસ અને પ્રેમ આપણાં છે તે મને આપ્યાં. આ સત્ય વિધાન સંપૂર્ણ રીતે સ્વીકાર્ય અને ભરોસાપાત્ર છે: ખ્રિસ્ત ઈસુ આ દુનિયામાં પાપીઓનો ઉદ્ધાર કરવા માટે આવ્યા અને એ બધામાં હું સૌથી મુખ્ય પાપી છું. પણ આ કારણને લીધે જ ઈશ્વરે મારા પ્રત્યે દયા રાખી, જેથી ઈસુ ખ્રિસ્ત મારી સાથેના વ્યવહારમાં તેમની સંપૂર્ણ ધીરજ દાખવે. હું તો પાપીઓમાં સૌથી મુખ્ય પાપી હોવા છતાં પાછળથી તેમના પર વિશ્વાસ કરનારાઓ અને સાર્વકાલિક જીવન મેળવનારાઓ માટે નમૂનારૂપ બન્યો. સનાતન રાજા, અવિનાશી, અદૃશ્ય, અને એક જ ઈશ્વરને માન અને મહિમા યુગોના યુગો સુધી હોજો - આમીન. મારા પુત્ર તિમોથી, હું તને આ આજ્ઞા ફરમાવું છું: ઘણા સમય પહેલાં તારા વિષે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. તું જે સારી લડાઈ લડી રહ્યો છે એમાં પ્રભુનાં એ શબ્દો તારું રક્ષણ કરો, અને તારો વિશ્વાસ તથા શુદ્ધ અંત:કરણ જાળવી રાખો. કેટલાક માણસો પોતાની પ્રેરકબુદ્ધિનુંય સાંભળતા નથી અને તેથી પોતાના વિશ્વાસરૂપી વહાણને ભાંગી નાખ્યું છે. હુમનાયસ અને એલેકઝાન્ડર તેમનામાંના જ છે. તેમને મેં શેતાનના અધિકારમાં સોંપ્યા છે, જેથી તેઓ ઈશ્વરની નિંદા કરતા બંધ થાય. સૌ પ્રથમ મારી વિનંતી છે કે સર્વ માણસોને માટે વિનંતી, આજીજી અને આભારસ્તુતિ કરો. વળી, શાસકો અને બીજા સર્વ અધિકારીઓને માટે પણ પ્રાર્થના કરો; જેથી સંપૂર્ણ ભક્તિભાવથી અને યોગ્ય વર્તણૂકથી આપણે શાંત અને સ્વસ્થ જીવન જીવીએ. એમ કરવું તે ઉત્તમ છે અને આપણા ઉદ્ધારર્ક્તા ઈશ્વરને તે ગમે છે. સર્વ માણસોનો ઉદ્ધાર થાય અને તેઓ સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરે એવી ઈશ્વરની ઇચ્છા છે. કારણ, ઈશ્વર એક જ છે, અને ઈશ્વર તથા માણસો વચ્ચે સમાધાન કરાવનાર પણ એક જ એટલે, ખ્રિસ્ત ઈસુ છે; જે પોતે પણ મનુષ્ય છે. તેમણે સર્વ માણસોના ઉદ્ધારને માટે પોતાનું સ્વાર્પણ કર્યું. ઈશ્વર સૌનો ઉદ્ધાર કરવા ચાહે છે એનું એ યોગ્ય સમયે આપવામાં આવેલું સમર્થન છે. એની જ જાહેરાત કરવા, એનો જ સંદેશો પહોંચાડવા અને બિનયહૂદીઓને વિશ્વાસ અને સત્યનું શિક્ષણ આપવા મને નીમવામાં આવેલો છે. હું સાચું કહું છું અને જૂઠું બોલતો નથી. ઈશ્વરને સમર્પિત પુરુષો, ક્રોધ કે દલીલો સિવાય હાથ ઊંચા કરી સર્વ સ્થળે પ્રાર્થના કરે તેવું હું ઇચ્છું છું. સ્ત્રીઓ પણ મર્યાદાશીલ અને સૌમ્ય વસ્ત્રો પહેરે. વાળની ગૂંથણી, સોનાનાં અને મોતીનાં આભૂષણો કે કિંમતી કપડાંથી નહિ, પણ ભક્તિભાવી સ્ત્રીને શોભે તેવાં સારાં કાર્યોથી પોતાને શણગારે. બોધ અપાતો હોય ત્યારે સ્ત્રીએ શાંતિથી અને પૂરી આધીનતાથી શીખવું જોઈએ. સ્ત્રી પુરુષ પર અધિકાર ચલાવે કે શિક્ષણ આપે તેવી પરવાનગી હું આપતો નથી; પણ તેમણે શાંત રહેવું. કારણ, આદમને પ્રથમ સર્જવામાં આવ્યો અને ત્યાર પછી તેની પત્ની હવાને; અને આદમ છેતરાઈ ગયો નહિ, પણ સ્ત્રીએ છેતરાઈને ઈશ્વરના નિયમનો ભંગ કર્યો. તેમ છતાં સ્ત્રી વિશ્વાસ, પ્રેમ અને પવિત્રતામાં મર્યાદાશીલ જીવન જીવે તો તે પુત્ર જન્મ દ્વારા ઉદ્ધાર પામશે. આ વિધાન તો સત્ય છે: જો કોઈ માણસને મંડળીના અયક્ષ થવાની ઇચ્છા હોય તો તે ઉત્તમ કાર્ય કરવાની આક્ંક્ષા રાખે છે. અયક્ષ તો નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. વળી, તે સંયમી, સમજદાર, વ્યવસ્થિત રહેનાર, અજાણ્યાનો સત્કાર કરનાર, સમર્થ શિક્ષક, દારૂડિયો કે મારપીટ કરનાર નહિ, પણ નમ્ર અને શાંતિપ્રિય હોવો જોઈએ. તે દ્રવ્યલોભી હોવો જોઈએ નહિ. તે પોતાના કુટુંબને સારી રીતે ચલાવનાર અને તેનાં બાળકો તેને આધીન થાય અને તેને માન આપે તે રીતે તેઓને રાખનાર હોવો જોઈએ. કારણ, જો કોઈ પોતાનું ઘર જ ચલાવી શક્તો નથી તો પછી તે ઈશ્વરની મંડળીની કાળજી કેવી રીતે રાખી શકે? તાજેતરમાં જ બદલાણ પામેલો ન હોવો જોઈએ, રખેને તે અભિમાની બની જાય અને શેતાનના જેવી સજા વહોરી લે. વળી, તે મંડળીની બહારના લોકો મયે સારી પ્રતિષ્ઠા ધરાવતો હોવો જોઈએ, જેથી તે નિંદાપાત્ર બનીને શેતાનના સકંજામાં ફસાઈ ન જાય. એ જ પ્રમાણે મંડળીના મદદનીશ કાર્યકરો ઠરેલ હોવા જોઈએ અને બેવડી બોલીના, બહુ દારૂ પીનારા કે દ્રવ્યલોભી હોવા ન જોઈએ. તેઓ સ્પષ્ટ પ્રેરકબુદ્ધિથી વિશ્વાસનું પ્રગટ સત્ય પકડી રાખનાર હોવા જોઈએ. પ્રથમ તેમની પારખ થવી જોઈએ. જો તેઓ નિર્દોષ માલૂમ પડે તો સેવા માટે તેમની નિમણૂક કરવી. એ જ પ્રમાણે સ્ત્રીઓ પણ ગંભીર હોવી જોઈએ; તેઓ નિંદાખોર નહિ, પણ સંયમી અને સર્વ બાબતમાં વિશ્વાસપાત્ર હોવી જોઈએ. મંડળીના મદદનીશને એક જ પત્ની હોવી જોઈએ અને તે તેનાં બાળકો તથા ઘરને સારી રીતે ચલાવનાર હોવો જોઈએ. જેઓ સારું કાર્ય કરે તેમની પ્રતિષ્ઠા વધે છે અને ખ્રિસ્ત ઈસુમાં તેમનો જે વિશ્વાસ છે તે વિષે હિંમતથી બોલી શકે છે. આ પત્ર લખતી વખતે હું ટૂંક સમયમાં જ તારી મુલાકાત લેવાની આશા રાખું છું. પણ મને આવવામાં વિલંબ થાય તો, ઈશ્વરના ઘરમાં કેવું વર્તન દાખવવું જોઈએ તે વિષે આ પત્ર માહિતી પૂરી પાડશે. ઈશ્વરનું ઘર તો જીવંત ઈશ્વરની મંડળી છે. તે તો સત્યનો સ્તંભ તથા આધાર છે. બેશક આપણા ધર્મનું રહસ્ય મહાન છે: તે માનવી સ્વરૂપમાં આવ્યા, પવિત્ર આત્માએ તેમને સાચા ઠરાવ્યા, અને દૂતોએ તેમનાં દર્શન કર્યાં, પ્રજાઓ મયે તેમની વાત જાહેર કરવામાં આવી, દુનિયાભરમાં તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, અને તેમને મહિમાસહ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે જણાવે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો વિશ્વાસમાં ડગી જશે. તેઓ જૂઠા આત્માઓ અને દુષ્ટાત્માઓના શિક્ષણને અનુસરશે. આ શિક્ષણ જૂઠા માણસોની છેતરપિંડીથી ફેલાય છે. લોખંડના ગરમ સળિયાથી ડામ દેવામાં આવ્યો હોય તેમ તેમની પ્રેરકબુદ્ધિ મરેલી છે. લગ્ન ન કરવું જોઈએ અને અમુક ખોરાક ન ખાવો જોઈએ તેવું આ માણસો શીખવે છે. પણ વિશ્વાસીઓ અને સત્યને જાણનારાઓએ આભારની પ્રાર્થના કરી, ઈશ્વરે ઉત્પન્‍ન કરેલો ખોરાક ખાવો જોઈએ. ઈશ્વરે બનાવેલું બધું સારું છે; તેમાંથી કશાનો નકાર કરાય નહિ. પણ આભારની પ્રાર્થના સાથે દરેક વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ. કારણ, ઈશ્વરનાં વચન અને પ્રાર્થનાને લીધે તે ઈશ્વરને સ્વીકાર્ય બને છે. તું પોતે વિશ્વાસનાં સત્યો અને સાચા શિક્ષણને અનુસરીને આત્મિક રીતે પોષણ પામતાં ભાઈઓને આ શિક્ષણ આપીશ, તો તું ખ્રિસ્તનો ઉત્તમ કાર્યકર બનીશ. વળી, તું અધર્મી કલ્પિતકથાઓ જે કહેવા યોગ્ય નથી તેથી દૂર રહે. ભક્તિમય જીવન જીવવાની ક્સરત કર. શારીરિક ક્સરત થોડી જ ઉપયોગી છે, પણ આત્મિક ક્સરત સર્વ પ્રકારે ઉપયોગી છે. કારણ, તેમાં વર્તમાન તેમ જ આવનાર જીવનનું વચન સમાયેલું છે. આ સત્ય વિધાન સંપૂર્ણ રીતે સ્વીકાર્ય અને ભરોસાપાત્ર છે. એ જ કારણથી અમે ઝઝૂમીએ છીએ અને સખત પરિશ્રમ કરીએ છીએ. કારણ, અમે અમારી આશા જીવંત ઈશ્વર પર રાખેલી છે. તે બધા માણસોના અને વિશેષ કરીને વિશ્વાસ કરનારાઓના ઉદ્ધારક છે. આ જ આજ્ઞા અને શિક્ષણ તું આપજે. જો જે, તું જુવાન છે તેથી કોઈ તારો તિરસ્કાર ન કરે. પણ તારે વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં વિશ્વાસીઓને નમૂનારૂપ બનવું. હું આવું ત્યાં સુધી તારો સમય જાહેર શાસ્ત્રવાચન પર અને ઉપદેશ તથા શિક્ષણ આપવામાં ગાળજે. મંડળીના આગેવાનોએ પોતાના હાથ તારા પર મૂક્યા ત્યારે કરાયેલી ભવિષ્યવાણી અનુસાર તને જે આત્મિક કૃપાદાન મળ્યું છે તેના પ્રત્યે બેદરકાર ન રહીશ. આ બાબતોને વ્યવહારમાં મૂક અને તેમાં તારું મન પરોવ, કે જેથી બધા તારી પ્રગતિ જાણી શકે. તારી પોતાની જાતની અને તારા શિક્ષણની કાળજી રાખ. આ બાબતો કર્યા કર, કારણ, તેમ કરવાથી તું પોતાને તથા તારું સાંભળનારાઓને બચાવી શકીશ. મોટી ઉંમરનાઓને ઠપકો ન આપ, પણ તેમને પિતાની માફક સમજાવ. યુવાનોને ભાઈ જેવા ગણ. મોટી ઉંમરની સ્ત્રીઓને માતા જેવી અને યુવતીઓને સર્વ પવિત્રતામાં બહેનો જેવી ગણ. એક્કી વિધવાઓને મદદ કર. પણ કોઈ વિધવાને છોકરાં કે છોકરાંનાં છોકરાં હોય, તો તેમણે પ્રથમ તેમના પોતાના ઘર પ્રત્યે પોતાની ધાર્મિક જવાબદારી અદા કરવી જોઈએ અને માબાપનું ઋણ અદા કરવું જોઈએ. કારણ, ઈશ્વરને એ ગમે છે. પણ જે સ્ત્રી એક્કી વિધવા છે, જેની સંભાળ રાખનાર કોઈ નથી, તેની આશા ઈશ્વરમાં છે અને તે રાતદિવસ સતત ઈશ્વરને વિનંતી અને પ્રાર્થના કરે છે. પણ જે વિધવા મોજશોખ માણે છે તે જીવંત છતાં મરેલી છે. તેમને આ બધી વાતો સમજાવજે, જેથી તેઓ કોઈ દોષમાં પડે નહિ. પણ જો કોઈ પોતાના સગાંની અને ખાસ કરીને પોતાના ઘરનાંની સંભાળ રાખતો નથી, તો તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે અને તે અવિશ્વાસી કરતાં પણ અધમ છે. સાઠ વર્ષથી વધુ ઉંમરની હોય, એક જ વાર લગ્ન કર્યું હોય, સારાં ક્મ માટે જાણીતી હોય, પોતાનાં બાળકોને સારી રીતે ઉછેર્યાં હોય, અતિથિ સત્કાર કર્યો હોય, ઈશ્વરના લોકના પગ ધોયા હોય અને સર્વ પ્રકારનાં સારાં કાર્યો કરવામાં નિષ્ઠા દાખવી હોય, તેવી વિધવાઓનાં જ નામ તારે મંડળીની વિધવાઓની યાદીમાં નોંધવાં. પણ જુવાન વિધવાઓનાં નામ યાદીમાં નોંધવાં નહીં. કારણ, જ્યારે તેમને લગ્ન કરવાની ઇચ્છા થાય ત્યારે તેઓ ખ્રિસ્તથી દૂર જઈને લગ્ન કરે છે. આમ, ખ્રિસ્તને અગાઉ આપેલા વચનનો ભંગ કરીને તેઓ દોષિત ઠરે છે. વળી, આળસુ બનીને ઘેર ઘેર ફરીને સમયનો બગાડ કરે છે, અફવાઓ ફેલાવે છે અને નક્મી વાતો કર્યા કરે છે. આથી જુવાન વિધવાઓ લગ્ન કરે, તેમને બાળકો થાય અને ઘરની સંભાળ રાખે તેવું હું ઇચ્છું છું. જેથી આપણા દુશ્મનો આપણું ભૂંડું બોલી શકે નહિ. કારણ, કેટલીક વિધવાઓ તો વંઠી જઈને શેતાનને માર્ગે ચાલે છે. પણ જો કોઈ વિશ્વાસી પુરુષ કે સ્ત્રીના કુટુંબમાં વિધવાઓ હોય તો તેણે તેમનું ભરણપોષણ કરવું અને મંડળી પર તેનો બોજો નાખવો નહિ, જેથી મંડળી ફક્ત નિરાધાર વિધવાઓની જ કાળજી રાખે. જે આગેવાનો સારી રીતે કાર્ય કરતા હોય અને ખાસ કરીને ઉપદેશ ને શિક્ષણમાં પરિશ્રમ ઉઠાવતા હોય તો તેમને બમણા વેતનને પાત્ર ગણવા જોઈએ. કારણ, શાસ્ત્રમાં લખ્યું છે: “જ્યારે બળદ અનાજ છૂટું પાડવાનું કાર્ય કરે ત્યારે તેના મોં પર જાળી બાંધવી નહિ.” અને, “મહેનત કરનારને વેતન મેળવવાનો હક્ક છે.” ધર્મસેવક વિરુદ્ધની ફરિયાદ બે કે ત્રણ સાક્ષી મારફતે આવે નહિ તો તેને સ્વીકારવી નહિ. પાપ કરનારાઓને જાહેરમાં ધમકાવ જેથી બીજાઓ પર પણ ધાક બેસે. ઈશ્વરની, ઈસુ ખ્રિસ્તની અને પવિત્ર દૂતોની સમક્ષ હું ગંભીર આજ્ઞા કરું છું કે, તું કોઈપણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર આ સૂચનાઓને આધીન થા. પ્રભુની સેવાને માટે કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ કરીશ નહિ. બીજાઓનાં પાપમાં સામેલ ન થા. પણ તું પોતાને શુદ્ધ રાખ. હવેથી માત્ર પાણી જ ન પીતાં, તું વારંવાર માંદો પડે છે અને તને પાચનની તકલીફ છે માટે થોડો દ્રાક્ષાસવ પીજે. કેટલાક માણસોનાં પાપ દેખીતાં હોય છે અને તે તેમને ન્યાયશાસનમાં લઈ જાય છે; જ્યારે બીજા કેટલાંકનાં પાપ તપાસ થયા પછી માલૂમ પડે છે. તેવી જ રીતે સારાં કાર્યો સ્પષ્ટ રીતે દેખાય છે અને જે એવાં સ્પષ્ટ નથી તે પણ છુપાઈ શક્તાં નથી. સર્વ ગુલામોએ પોતાના માલિકોને આદરપાત્ર ગણવા જોઈએ, જેથી ઈશ્વરના નામનું કે આપણા શિક્ષણનું કોઈ ભૂંડું બોલે નહિ. જેમના માલિકો વિશ્વાસીઓ છે તેવા ગુલામોએ માલિકો તેમના ભાઈઓ હોવાથી તેમને તુચ્છકારવા ન જોઈએ. એથી ઊલટું, તેમની વધુ સારી સેવા કરવી જોઈએ. કારણ, તેમની સેવાનો લાભ તો વિશ્વાસી પ્રિયજનોને જ મળે છે. તારે આ વાતોનું બોધદાયક શિક્ષણ આપવું જોઈએ. જે કોઈ જુદા પ્રકારનો સિદ્ધાંત શીખવે છે અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનો તથા ધર્મ શિક્ષણ સાથે સંમત થતો નથી, તે અભિમાનમાં ફુલાઈ ગયો છે અને કશું જાણતો નથી. તેનામાં માત્ર વાદવિવાદની અને શબ્દવાદની ખોટી ઇચ્છા છે. એનાથી તો અદેખાઈ, ઝઘડા, અપમાન અને કુશંકાઓ ઉત્પન્‍ન થાય છે. એવા માણસોમાં સતત વાદવિવાદ ચાલ્યા કરે છે, તેમની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી હોય છે અને તેમની પાસે સત્ય હોતું નથી. તેઓ ધર્મને ધનવાન બનવાનો માર્ગ માની બેઠા છે. અલબત્ત, પોતાની પાસે જે કંઈ છે તેનાથી વ્યક્તિ સંતોષી હોય, તો ધર્મ જરૂરથી વિશેષ સમૃદ્ધિ લાવે છે. આપણે આ દુનિયામાં શું લઈને આવ્યા છીએ? કંઈ જ નહિ! વળી, આ દુનિયામાંથી આપણે શું લઈ જવાનાં છીએ? કંઈ જ નહિ! તેથી આપણને ખોરાક અને વસ્ત્રો મળી રહે તો તેટલું બસ છે. પણ ધનવાન થવાની ઇચ્છા રાખનારાઓ ક્સોટીમાં પડે છે, અને ઘણી મૂર્ખ તથા હાનિકારક ઇચ્છાઓના ફાંદામાં ફસાઈ જાય છે, જે માણસને અધોગતિના અને વિનાશના માર્ગે ઘસડી જાય છે. કારણ, દ્રવ્યલોભ સર્વ પ્રકારનાં પાપનું મૂળ છે. ધનવાન થઈ જવાની તૃષ્ણામાં કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણા દુ:ખોથી તેમનાં હૃદય વીંધાયાં છે. પણ ઈશ્વરભક્ત તરીકે તારે આ બધી બાબતોથી દૂર રહેવું. સદાચાર, ભક્તિ, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા અને નમ્રતા પ્રાપ્ત કરવા તારે પ્રયત્નશીલ રહેવું. વિશ્વાસની દોડ પૂરી તાક્તથી દોડ અને પોતાને માટે સાર્વકાલિક જીવન પ્રાપ્ત કર. કારણ, ઘણા સાક્ષીઓ સમક્ષ તેં વિશ્વાસનો સારો એકરાર કર્યો ત્યારે ઈશ્વરે તને એ જ જીવન માટે આમંત્રણ આપ્યું હતું. સૌના જીવનદાતા ઈશ્વરની સમક્ષ અને પોંતિયસ પિલાતની સમક્ષ સારો એકરાર કરનાર ખ્રિસ્ત ઈસુ સમક્ષ હું તને આજ્ઞા કરું છું: આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસ સુધી શુદ્ધ તથા નિર્દોષ રહીને આજ્ઞા પાળ. ઈશ્વર સર્વોપરી સત્તાધીશ છે; રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. તે નિયત સમયે ઈસુને પ્રગટ કરશે. માત્ર તે જ અવિનાશી છે, કોઈથી પાસે જઈ ના શકાય તેવા પ્રકાશમાં રહે છે; કોઈએ તેમને કદી જોયા નથી અને જોઈ શકતું પણ નથી. તેમને મહિમા અને સાર્વકાલિક અધિકાર હો; આમીન. આ યુગના ધનિકોને આજ્ઞા કર કે તેઓ ગર્વિષ્ઠ ન બને. ધન જેવી ક્ષણિક બાબતો પર નહિ પણ આપણા ઉપયોગને માટે સર્વ કંઈ ઉદારતાથી આપનાર ઈશ્વર પર આશા રાખે, સારું કરે, સારાં કાર્યો કરવામાં ધનવાન બને, ઉદાર બને અને બીજાઓને મદદ કરવા તત્પર બને. આ રીતે તેઓ ભવિષ્ય માટે મજબૂત પાયારૂપ સારી સંપત્તિ પોતાને માટે એકઠી કરશે, અને એમ જે ખરેખરું જીવન છે તે તેઓ પ્રાપ્ત કરી શકશે. હે તિમોથી, તને જે સોંપવામાં આવ્યું છે તે જાળવી રાખજે. અધર્મી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી “જ્ઞાન” કહે છે તે વિષેની મૂર્ખતાભરી ચર્ચાઓથી દૂર રહે. કારણ, પોતાની પાસે એ જ્ઞાન હોવાનો દાવો કરીને કેટલાક વિશ્વાસથી ભટકી ગયા છે. ઈશ્વરની કૃપા તમ સર્વની સાથે રહો. ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત થવા અને ખ્રિસ્ત ઈસુમાં જે જીવનનું વચન આપણને આપવામાં આવ્યું છે તે પ્રગટ કરવા મોકલવામાં આવેલા પાઉલ તરફથી, મારા પ્રિય પુત્ર તિમોથીને શુભેચ્છા. ઈશ્વરપિતા અને ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તને કૃપા, દયા અને શાંતિ બક્ષો. મારા પૂર્વજોની જેમ હું પણ નિર્મળ પ્રેરકબુદ્ધિથી ઈશ્વરની સેવા કરીને તેમનો આભાર માનું છું. રાતદિવસ પ્રાર્થનામાં તને યાદ કરતાં હું ઈશ્વરનો આભાર માનું છું. તારાં આંસુઓ મને યાદ આવે છે અને મને ઘણો આનંદ થાય તે માટે તને મળવાને હું ખૂબ જ આતુર છું. મને તારા વિશ્વાસની નિખાલસતા યાદ આવે છે. અગાઉ એવો જ વિશ્વાસ તારાં દાદી લોઈસ અને મા યુનિકેમાં હતો અને મને ખાતરી છે કે તે તારામાં પણ છે. માટે હું તને યાદ દેવડાવું છું કે મેં તારા પર હાથ મૂક્યો ત્યારે ઈશ્વરે તને જે કૃપાદાન બક્ષ્યું હતું તેને સતેજ રાખજે. કારણ, ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકણ નહિ, પણ બળવાન, પ્રેમાળ અને સંયમી બનાવે છે. પ્રભુને માટે સાક્ષી આપવામાં શરમાઈશ નહિ. તેમને લીધે હું કેદી હોવાથી મારે લીધે તું શરમાઈશ નહિ. એને બદલે, શુભસંદેશને માટે દુ:ખ સહન કરવામાં ભાગ લે, અને ઈશ્વર તને બળ આપશે. આપણાં કાર્યોથી નહિ, પણ ઈશ્વરના હેતુ અને કૃપાને લીધે તેમણે આપણો ઉદ્ધાર કરીને આપણને તેમના અલગ લોક થવાનું આમંત્રણ આપ્યું છે. પ્રારંભથી જ ખ્રિસ્ત ઈસુની મારફતે તેમણે આ કૃપા આપણને આપી છે; પણ હવે આપણા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તના આગમનથી તે આપણી સમક્ષ પ્રગટ થઈ છે. મૃત્યુને નાબૂદ કરીને શુભસંદેશની મારફતે તેમણે અમર જીવન પ્રગટ કર્યું છે. ઈશ્વરે શુભસંદેશનો પ્રચાર કરવા માટે મને પ્રેષિત અને શિક્ષક તરીકે નીમ્યો છે. આ જ કારણથી હું બધાં દુ:ખો સહન કરું છું. જેમના પર મેં ભરોસો મૂક્યો છે તેમને હું ઓળખું છું અને જેની સોંપણી તેમણે મને કરી છે તેને પુનરાગમનના દિવસ સુધી સાચવી રાખવાને તે સમર્થ છે. મારા સાચા શિક્ષણને નમૂનારૂપ ગણીને પકડી રાખ. ખ્રિસ્ત ઈસુની સાથેના જોડાણથી મળતાં વિશ્વાસ અને પ્રેમને વળગી રહે. આપણામાં વાસો કરનાર પવિત્ર આત્માના સામર્થ્યની મારફતે તને આપવામાં આવેલી સારી બાબતો સાચવી રાખ. આસિયા પ્રદેશના બધા માણસોએ મને તજી દીધો હતો તે તું જાણે છે. ફુગિલસ અને હેર્મોગેનેસ તેમનામાંના જ છે. ઓનેસિફરસના કુટુંબને પ્રભુ શાંતિ બક્ષો. કારણ, ઘણી વખતે તેણે મને પ્રોત્સાહન આપ્યું છે. હું જેલમાં હતો તેને લીધે તે શરમાયો નહિ. પણ તેણે રોમમાં આવતાંની સાથે જ આતુરતાથી શોધ કરીને મને શોધી કાઢયો. પ્રભુ તેમના આગમનને દિવસે તેને કૃપા બક્ષો! વળી, એફેસસમાં તેણે મારે માટે જે કંઈ કર્યું તે પણ તું જાણે છે. મારા પુત્ર, ખ્રિસ્ત ઈસુમાં મેળવાવા દ્વારા આપણને આપવામાં આવેલી કૃપાની મારફતે બળવાન થા. ઘણા સાક્ષીઓની રૂબરૂમાં તેં મારે મુખે જે સાંભળ્યું છે તે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે કે જેઓ બીજાને પણ એ શીખવવાને સમર્થ હોય. ઈસુ ખ્રિસ્તના વફાદાર સૈનિક તરીકે દુ:ખ સહન કરવામાં તારો ભાગ લે. જે સૈનિક નોકરી પર છે તે પોતાના અધિકારીને ખુશ કરવા માગે છે અને તેથી નાગરિક તરીકેના જીવનની જવાબદારીમાં તે સામેલ થતો નથી. દોડવીર દોડમાં ભાગ લે પણ નિયમો પ્રમાણે દોડે નહિ તો ઈનામ મેળવી શક્તો નથી. સખત મજૂરી કરનાર ખેડૂતને કાપણીનો પ્રથમ હિસ્સો મળવો જોઈએ. હું જે ફરમાવું છું તે વિષે વિચાર કર. પ્રભુ આ સર્વ બાબતો સમજવાને તને મદદ કરશે. મારા શુભસંદેશનો સાર આ છે: દાવિદના વંશજ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે; તું તેમનું સ્મરણ કર. તે શુભસંદેશ પ્રગટ કરવાને લીધે હું દુ:ખ સહન કરું છું. હું સાંકળોથી બંધાયેલો છું, પણ પ્રભુનો સંદેશ બંધનમાં નથી. આ જ કારણથી ઈશ્વરના પસંદ કરાયેલા લોકને લીધે હું સઘળું સહન કરું છું; જેથી તેઓ પણ ખ્રિસ્ત ઈસુમાં મળતો ઉદ્ધાર અને સાર્વકાલિક મહિમા પ્રાપ્ત કરે. આ વિધાન સત્ય છે: જો આપણે તેમની સાથે મરણ પામ્યા, તો આપણે તેમની સાથે જીવીશું, જો આપણે સહન કરતા રહીએ, તો આપણે તેમની સાથે રાજ કરીશું, જો આપણે તેમનો નકાર કરીએ તો તે પણ આપણો નકાર કરશે, જો આપણે અવિશ્વાસુ નીવડીએ, તો પણ તે વિશ્વાસુ રહે છે, કારણ, તે પોતાના સ્વભાવ વિરુદ્ધ જતા નથી. તારા લોકોને આ બાબતની યાદ આપ અને શબ્દવાદ ન કરે માટે ઈશ્વરની સમક્ષતામાં કડક ચેતવણી આપ. નક્મી ચર્ચાઓ કંઈ સારું પરિણામ લાવતી નથી, પણ સાંભળનારાઓને નુક્સાન કરે છે. ઈશ્વરની દૃષ્ટિમાં એવો કાર્યકર થવા ખંતથી યત્ન કર કે જેને પોતાના કાર્યમાં શરમાવાનું કંઈ કારણ ન હોય, પણ સત્યનો સંદેશો યોગ્ય રીતે શીખવનાર હોય. અધર્મી અને મૂર્ખ ચર્ચાઓથી દૂર રહે, કારણ, એવા લોકો ઈશ્વરથી દૂર ચાલ્યા જાય છે. તેમનું શિક્ષણ સડાની માફક ફેલાતું જાય છે. એમાંના બે શિક્ષકો હુમનાયસ અને ફિલેતસ છે. તેઓએ સત્યનો માર્ગ ત્યજી દીધો છે અને આપણે મરણમાંથી સજીવન થઈ ચૂક્યા છીએ, તેવું શીખવીને કેટલાક વિશ્વાસીઓના વિશ્વાસને ડગાવી રહ્યા છે. પણ ઈશ્વરે નાખેલો મજબૂત પાયો હલાવી શકાય નહિ. તેના પર આ શબ્દો લખેલા છે: “પ્રભુ પોતાના લોકને ઓળખે છે અને ખ્રિસ્તનું નામ લઈને પોતે તેમનો છે એવું કહેનારે ભૂંડાઈથી દૂર રહેવું જોઈએ.” મોટા ઘરમાં સર્વ પ્રકારનાં પાત્રો હોય છે. તે સોનાનાં, રૂપાનાં, લાકડાનાં કે માટીનાં હોય છે. કેટલાંક પાત્રો ખાસ પ્રસંગોને માટે, જ્યારે બીજા સામાન્ય ઉપયોગને માટે હોય છે. જો કોઈ વ્યક્તિ પોતાને બધી ભૂંડી બાબતોથી શુદ્ધ રાખે તો તેનો ખાસ હેતુને માટે ઉપયોગ કરવામાં આવશે. કારણ, તેણે તેના માલિકને પોતાનું સ્વાર્પણ કરેલું છે અને તે તેને ઉપયોગી છે. વળી, સર્વ સારાં કાર્ય કરવાને માટે તે તૈયાર છે. યૌવનની વાસનાથી દૂર રહે. શુદ્ધ દયથી પ્રભુની મદદ માગનારાઓ સાથે સદાચાર, વિશ્વાસ, પ્રેમ અને શાંતિ પ્રાપ્ત કરવાનો હેતુ રાખ. મૂર્ખ અને અજ્ઞાન દલીલોથી દૂર રહે. કારણ, તેથી ઝઘડો જ થાય છે તે તું જાણે છે. પ્રભુના સેવકે વિખવાદ કરવો જોઈએ નહિ, પણ તેણે બધા પ્રત્યે માયાળુ બનવું જોઈએ અને સારા તથા ધીરજવાન શિક્ષક બનવું જોઈએ. તે વિરોધ કરનારાઓને નમ્રતાથી તેમની ભૂલ જણાવે છે; કદાચ પ્રભુ એવાઓને પાપથી પાછા ફરવાની તક આપે કે જેથી તેઓ સત્યને જાણી લે અને પાછા ફરે, તથા તેમને વશ કરી લઈને પોતાની ઇચ્છાને આધીન કરનાર શેતાનના ફાંદામાંથી છટકી જાય. આ વાતો યાદ રાખ! અંતના સમયમાં મુશ્કેલીના દિવસો આવશે. માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, બડાઈખોર, ગર્વિષ્ઠ અને નિંદક હશે. તેઓ માતપિતાને નિરાધીન, અનુપકારી અને નાસ્તિક હશે. વળી, દયાહીન, વૈરભાવી, અફવા ફેલાવનાર, અસંયમી, ઘાતકી અને સત્યનો નકાર કરનાર હશે. તેઓ દગાખોર, અવિચારી, ઘમંડી હશે. ઈશ્વર પર નહિ, પણ ભોગવિલાસ પર પ્રેમ કરશે. ધર્મના બાહ્ય રૂપને તેઓ પકડી રાખશે, પણ તેના વાસ્તવિક સામર્થ્યનો નકાર કરશે. આવા પ્રકારના માણસોથી દૂર રહે. એમાંના કેટલાક તો પારક્ં ઘરોમાં ધૂસી જાય છે, અને પાપાચારમાં વ્યસ્ત રહેતી અને વિવિધ વાસનાઓથી ખેંચાઈ જતી સ્ત્રીઓને ફસાવે છે; એ તો હંમેશાં શીખવા છતાં સત્યને નહિ જાણી શકનારી સ્ત્રીઓ છે. જેમ જાન્‍નેસ અને જામ્બ્રેસ મોશેની વિરુદ્ધ થયા હતા તેવી જ રીતે આવા માણસો સત્યનો વિરોધ કરે છે. તેઓ ભ્રષ્ટ મનના અને વિશ્વાસમાં નિષ્ફળ ગયેલા છે. પણ તેઓ ઝાઝું ટકવાના નથી. કારણ, જાન્‍નેસ અને જામ્બ્રેસની જેમ તેઓ કેવા મૂર્ખ છે તે સૌની સમક્ષ પ્રગટ થશે. પણ તેં તો સારા શિક્ષણનું, મારી વર્તણૂકનું અને મારા જીવનના યેયનું અનુકરણ કર્યું છે. તેં મારો વિશ્વાસ, ધીરજ, પ્રેમ, સહનશક્તિ, સતાવણીઓ અને દુ:ખો જોયાં છે. અંત્યોખ, ઈકોની અને લુસ્ત્રામાં જે ભયંકર સતાવણીઓમાંથી હું પસાર થયો હતો તેની તને ખબર છે. તે સર્વમાંથી પ્રભુએ મારો બચાવ કર્યો હતો. જો કે ખ્રિસ્ત ઈસુના અનુયાયી હોવાને લીધે ભક્તિમય જીવન જીવનારાઓની સતાવણી તો થવાની જ. પણ દુષ્ટ અને દંભી માણસ તો વધુ ને વધુ ખરાબ બનતા જશે અને બીજાને છેતરવા જતાં તેઓ જાતે જ છેતરાઈ જશે. પણ તને જે સત્ય શીખવવામાં આવ્યું અને જે પર તેં ભરોસો રાખ્યો છે તેમાં જારી રહે. તારા શિક્ષકો કોણ હતા તે તું જાણે છે. તને યાદ હશે કે તું બાળક હતો ત્યારથી જ તને જૂના કરારનાં પવિત્ર શાસ્ત્રોની વાતોની ખબર છે; તેઓ તને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસની મારફતે ઉદ્ધાર પ્રાપ્ત કરવાનું જ્ઞાન આપી શકે છે; એમાંનું દરેક શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે અને તે સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે. વળી, તે ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલોને સુધારવા, અને સાચું જીવન જીવવા શિક્ષણ આપે છે. આમ, ઈશ્વરની સેવા કરનાર વ્યક્તિ સંપૂર્ણ રીતે યોગ્ય બને છે અને સર્વ સારાં કાર્યો કરવાને શક્તિમાન થાય છે. ઈશ્વરપિતા અને જીવતાં તથા મૃત્યુ પામેલાં સૌનો ન્યાય કરનાર ઈસુ ખ્રિસ્તની સમક્ષતામાં તેમના પુનરાગમન અને રાજની આણ દઈને હું તને આજ્ઞા આપું છું કે, શુભસંદેશ જાહેર કર; અનુકૂળ કે પ્રતિકૂળ સમયે પણ તે માટે તત્પર રહે. ખોટી માન્યતાઓને પડકારજે, લોકોની ભૂલો સુધારજે અને તેમને પ્રોત્સાહન આપજે તથા પૂરી ધીરજથી ઉપદેશ કરજે. એવો સમય આવશે કે જ્યારે માણસો સાચું શિક્ષણ સાંભળવા માગશે નહિ, પણ પોતાની ઇચ્છાઓ પ્રમાણે ચાલશે અને તેમના કાનની ખંજવાળ મટાડે તેવા શિક્ષકોનાં ટોળાં ભેગાં કરશે. સત્યને બદલે તેઓ દંતકથાઓ સાંભળવા તરફ ધ્યાન આપશે. પણ તારે સર્વ સંજોગોમાં મનમાં સ્વસ્થ રહેવું, દુ:ખ સહન કરવું, શુભસંદેશનો પ્રચાર કરવો અને ઈશ્વરના સેવક તરીકેની તારી ફરજ સંપૂર્ણ રીતે અદા કરવી. મારે બલિ થઈ જવાનો અને આ જીવન ત્યજી દેવાનો સમય આવી પહોંચ્યો છે. દોડની સ્પર્ધામાં મેં મારાથી બનતું સર્વ કર્યું છે. મેં મારી દોડનું નિયત અંતર પૂરું કર્યું છે. વિશ્વાસમાં હું અડગ રહ્યો છું. હવે વિજયનું ઇનામ મારે માટે રાહ જુએ છે. અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મને અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઇનામ આપશે. મારી પાસે જલદી આવવાને તારાથી બનતું બધું કરજે. દેમાસ આ દુનિયાના પ્રેમમાં પડીને મને તજી દઈને થેસ્સાલોનિકા ચાલ્યો ગયો છે. ક્રેસ્કેન્સ ગલાતિયા અને તિતસ દલમાતિયા ગયા છે. એકલો લૂક. મારી સાથે છે. માર્કને તારી સાથે લેતો આવજે, કારણ, તે મને મદદરૂપ થઈ પડશે. તુખિક્સને મેં એફેસસ મોકલ્યો છે. ત્રોઆસમાં ર્કાપસ પાસે જે ઝભ્ભો હું મૂક્તો આવ્યો છું તે તું આવે ત્યારે સાથે લેતો આવજે અને પુસ્તકો અને ખાસ કરીને ચર્મપત્રોને પણ લાવજે. એલેકઝાન્ડર કંસારાએ મને ઘણું નુક્સાન પહોંચાડયું છે. પ્રભુ તેને તેના કાર્ય પ્રમાણે બદલો આપશે. તેણે આપણા સંદેશાનો સખત વિરોધ કર્યો હતો; આથી તેનાથી ચેતતો રહેજે. પ્રથમ વખતે અદાલતમાં મેં જાતે જ મારો બચાવ કર્યો. કારણ, કોઈએ મારો પક્ષ લીધો નહિ, પણ બધા મને એકલો મૂકી ચાલ્યા ગયા. પ્રભુ તે કૃત્ય તેમની વિરુદ્ધમાં ન ગણો. પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને બળ આપ્યું; જેથી સંદેશો સાંભળનાર બિનયહૂદીઓને મેં સંદેશાની સંપૂર્ણ વાતો જણાવી. ખરેખર, હું સિંહના મુખમાંથી બચી ગયો. પ્રભુ મને સર્વ દુષ્ટતાથી બચાવશે તથા તેમના સ્વર્ગીય રાજમાં સહીસલામત લઈ જશે. તેમનો સદાસર્વકાળ મહિમા હો! આમીન. પ્રિસ્કા અને આકુલાને તથા ઓનેસિફરસના કુટુંબને શુભેચ્છા. એરાસ્તસ કોરીંથમાં રહ્યો છે અને ત્રોફિમસ માંદો હોવાથી મેં તેને મિલેતસમાં રહેવા દીધો છે. શિયાળા પહેલાં અહીં આવવાને પ્રયત્ન કરજે. યુબુલસ, પુદેન્સ, લિનસ, કલાદિયા તથા સર્વ ભાઈઓ તને શુભેચ્છા પાઠવે છે. પ્રભુ તારા આત્માની સાથે રહો. અને તેમની કૃપા તારા પર રાખો. ઈશ્વરના સેવક અને ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પાઉલ તરફથી શુભેચ્છા. ઈશ્વરના પસંદ કરાયેલા લોકનો વિશ્વાસ વધે તે માટે અને તેમને આપણા ધર્મના સત્યમાં દોરી જવામાં મદદરૂપ થવા માટે મને પસંદ કરીને મોકલવામાં આવ્યો છે. એ સત્યનો આધાર સાર્વકાલિક જીવનની આશા પર છે. ઈશ્વર જૂઠું બોલતા નથી અને તેમણે સમયની શરૂઆત થયા અગાઉ એ જીવન આપવાનું વચન આપેલું છે, અને યોગ્ય સમયે તેમના સંદેશા મારફતે તે પ્રગટ કર્યું છે. મને આ સંદેશ સોંપવામાં આવેલો છે. આપણા ઉદ્ધારક ઈશ્વરની આજ્ઞા મળી હોવાથી હું તે જાહેર કરું છું. તિતસ, હું તને આ પત્ર પાઠવું છું. આપણે જે વિશ્વાસ ધરાવીએ છીએ, તેમાં તું મારો સાચો પુત્ર છે. ઈશ્વરપિતા અને આપણા ઉદ્ધારક ખ્રિસ્ત ઈસુ તને કૃપા અને શાંતિ બક્ષો. તું ક્રીત ટાપુમાં આૂરાં કાર્યોની વ્યવસ્થા કરે અને દરેક શહેરમાં મંડળીના આગેવાનોની નિમણૂક કરે તે માટે મેં તને ત્યાં રાખ્યો છે. મારી સૂચનાઓ ધ્યાનમાં રાખજે. આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો ઈસુ પર વિશ્વાસ રાખનારાં હોવાં જોઈએ અને ચારિયહીન કે અનાજ્ઞાંક્તિ હોવાં ન જોઈએ. ઈશ્વરના કાર્યની દેખરેખ રાખતો હોવાથી મંડળીનો આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તે સ્વચ્છંદી, ગુસ્સાવાળો, દારૂડિયો, ઝઘડાખોર કે દ્રવ્યલોભી હોવો ન જોઈએ. તે પરોણાગત કરનાર અને બીજાનું ભલું ઇચ્છનાર હોવો જોઈએ. તે સંયમી, ન્યાયી, પવિત્ર અને શિસ્તમય જીવન જીવનારો હોવો જોઈએ. તે સિદ્ધાંત પ્રમાણેના ભરોસાપાત્ર સંદેશને વળગી રહેનાર હોવો જોઈએ. આ રીતે તે બીજાઓને સાચું શિક્ષણ આપીને પ્રોત્સાહિત કરશે અને એ સંદેશના વિરોધીઓના દુર્મતનું ખંડન કરી શકશે. કારણ, ખાસ કરીને સુન્‍નતની હિમાયત કરનારાઓમાંથી કેટલાક બળવાખોરો ઊભા થયા છે. તેઓ પોતાની મૂર્ખાઈથી બીજાઓને છેતરે છે. તેમને બોલતા બંધ કરી દેવા જોઈએ. કારણ, તેઓ ખોટું શિક્ષણ આપીને કેટલાંયે કુટુંબોને બરબાદ કરે છે. તેમનો ઇરાદો તો પૈસા કમાવાનો છે અને તે શરમજનક છે. તેમના જ એક સંદેશવાહકે કહ્યું છે: “ક્રીતના લોકો તો જુઠ્ઠા, ઘાતકી, આળસુ અને ખાઉધરા છે.” તેનું કહેવું સાચું છે. આ કારણથી તારે તેમને ધમકાવવા, જેથી તેમનો વિશ્વાસ મજબૂત બને અને યહૂદી દંતકથાઓ પર કે સત્યનો નકાર કરનારાઓની આજ્ઞાઓ પર આધાર ન રાખે. જેઓ જાતે જ શુદ્ધ છે તેમને માટે બધું શુદ્ધ છે. પણ જેઓ અશુદ્ધ અને અવિશ્વાસી છે તેમને મન કશું જ શુદ્ધ નથી; કારણ, તેમનાં મન અને પ્રેરકબુદ્ધિ અશુદ્ધ થયેલાં છે. તેઓ ઈશ્વરને ઓળખતા હોવાનો દાવો કરે છે, પણ તેમનું વર્તન તેનો નકાર કરે છે. તેઓ તિરસ્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારા તથા કોઈ પણ સારું કાર્ય કરવાને માટે નક્મા છે. પણ તારે સાચા સિદ્ધાંત પ્રમાણેનું શિક્ષણ આપવું. વૃદ્ધ પુરુષોને સમજાવ કે તેઓ સંયમી, ગંભીર અને ઠરેલ બને તથા વિશ્વાસ, પ્રેમ અને સહનશક્તિમાં દૃઢ બને. તેવી જ રીતે વૃદ્ધ સ્ત્રીઓને સમજાવ કે તેઓ પવિત્ર સ્ત્રીઓની જેમ જીવે. તેમણે બીજાની નિંદા ન કરવી કે દારૂના ગુલામ ન બનવું. તેમણે સારું જ શીખવવું, તેમણે યુવાન સ્ત્રીઓને કેળવવી જેથી તેઓ તેમના પતિ અને બાળકો પર પ્રેમ કરે તથા આત્મસંયમી, શુદ્ધ અને પોતાના પતિને આધીન રહેનાર સારી ગૃહિણી બને, અને એમ ઈશ્વર તરફથી આપવામાં આવેલ શુભસંદેશની નિંદા થાય નહિ. તે જ પ્રમાણે યુવાનોને સંયમી થવાનો ઉપદેશ આપજે. સારાં કાર્યો કરવામાં તું જાતે જ નમૂનારૂપ બનજે. તારા શિક્ષણમાં પ્રામાણિક અને ગંભીર બન. ટીકા ન થાય તેવા યોગ્ય શબ્દો વાપર, જેથી દુશ્મનો તારી વિરુદ્ધ કહેવાનું કંઈ ન મળવાથી શરમાઈ જાય. ગુલામોએ સર્વ બાબતોમાં તેમના માલિકોને આધીન રહેવું અને તેમને સર્વ બાબતમાં ખુશ રાખવા. તેમની સામું બોલવું નહિ, કે તેમની વસ્તુઓ ચોરી લેવી નહિ. એના કરતાં ગુલામ તરીકે તેઓ હંમેશાં સારા અને વિશ્વાસુ છે તેમ બતાવવું. આમ, તેમણે તેમનાં કાર્યોની મારફતે આપણા ઉદ્ધારક ઈશ્વર વિષેના શિક્ષણને દીપાવવું. કારણ, સર્વ માણસોના ઉદ્ધારને માટે ઈશ્વરે તેમની કૃપા પ્રગટ કરી છે. આ કૃપા અધર્મી જીવન અને દુન્યવી વાસનાઓને ત્યજી દેવાનું અને આ દુનિયામાં સંયમી, સીધું અને પવિત્ર જીવન જીવવાનું શીખવે છે. આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ થશે તે ધન્ય દિવસની આશાની રાહ આપણે જોઈ રહ્યા છીએ. આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે. આ બધી બાબતો શીખવ અને તારા સાંભળનારાઓને પ્રોત્સાહન કે ચેતવણી આપતાં તારા પૂરા અધિકારનો ઉપયોગ કર. તેમનામાંનો કોઈ તારો તિરસ્કાર ન કરે તેનું ધ્યાન રાખ. અધિકારીઓ અને સત્તાધીશોને આધીન રહેવાનું તારા લોકને યાદ કરાવ. તેમણે તેમની આજ્ઞા માનીને સર્વ સારાં કાર્ય માટે તૈયાર રહેવું. કોઈનું ભૂંડું બોલવું નહિ; પણ શાંતિચાહક અને મૈત્રીપૂર્ણ બનવું તથા સર્વ માણસો પ્રત્યે હંમેશાં નમ્ર વર્તન દાખવવું. કારણ, એકવાર આપણે પણ મૂર્ખ, અનાજ્ઞાંક્તિ અને ખોટે માર્ગે હતા; સર્વ પ્રકારની વાસનાઓ અને મોજશોખના ગુલામ હતા. આપણે આપણો સમય ઈર્ષા અને અદેખાઈ કરવામાં ગાળ્યો. બીજાઓએ આપણી નિંદા કરી તો આપણે પણ તેમની નિંદા કરી. પણ જ્યારે ઈશ્વર આપણા ઉદ્ધારકનાં ભલાઈ અને પ્રેમ પ્રગટ થયાં, ત્યારે આપણાં કોઈ સર્ત્ક્યોને લીધે નહિ, પણ ઈશ્વરે તેમની દયાને લીધે આપણને શુદ્ધ કરનાર જળ દ્વારા નવો જન્મ અને પવિત્ર આત્મા દ્વારા નવજીવનની તાજગી પમાડીને ઉગાર્યા. ઈશ્વરે આપણા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની મારફતે તેમનો પવિત્ર આત્મા આપણા પર રેડી દીધો; જેથી તેમની કૃપાથી આપણે ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈએ અને જે સાર્વકાલિક જીવનની આશા આપણે રાખેલી છે તેને પ્રાપ્ત કરીએ. આ તો સાચી વાત છે અને તું આ બાબતો પર ખાસ ભાર મૂકે એવું હું ઇચ્છું છું; જેથી ઈશ્વર પર વિશ્વાસ મૂકનારાઓ સારાં કાર્યો પાછળ પોતાનો સમય ગાળવાની કાળજી રાખે. માણસોને માટે એ જ સારું અને ઉપયોગી છે. પણ અર્થ વગરની દલીલો, પિતૃઓનાં નામોની વંશાવળીની લાંબી યાદીઓ અને નિયમશાસ્ત્ર વિષેના ઝઘડાઓથી દૂર રહે. તેઓ બિનઉપયોગી અને નક્માં છે. પક્ષ પાડનાર વ્યક્તિ પહેલી અને બીજી ચેતવણી આપ્યા પછી પણ ન માને તો તેની સાથે સંબંધ રાખવો નહિ. તારે જાણી લેવું કે એવી વ્યક્તિ ભ્રષ્ટ છે અને તે જાણે છે કે પોતે પોતાના પાપથી સજાપાત્ર ઠરી ચૂક્યો છે. હું આર્તેમાસ કે તુખિક્સને તારી પાસે મોકલું ત્યારે નિકોપોલિસમાં મારી પાસે આવવા તમામ પ્રયત્ન કરજે. કારણ, મેં શિયાળો ત્યાં ગાળવાનું નક્કી કર્યું છે. ઝેનાસ વકીલ અને આપોલસને તેમની મુસાફરી શરૂ કરવા માટે મદદ કરજે અને તેમને જરૂરી વસ્તુઓ મળી છે કે નહિ તેનું ધ્યાન રાખજે. આપણા લોકોએ સારાં કાર્યો પાછળ પોતાનો સમય આપવાનું અને યોગ્ય જરૂરિયાત પૂરી પાડવાનું શીખવું જોઈએ. તેમણે નિરુપયોગી જીવન જીવવું ન જોઈએ. મારી સાથેના બધા તને શુભેચ્છા પાઠવે છે. વિશ્વાસમાંના આપણા મિત્રોને અમારી શુભેચ્છા. ઈશ્વરની કૃપા તમ સર્વની સાથે રહો. ઈસુ ખ્રિસ્ત માટે કેદી બનેલ અને આપણા ભાઈ તિમોથી તરફથી આપણા મિત્ર અને સહકાર્યકર ફિલેમોન, અને તેના ઘરમાં મળતી મંડળી તથા આપણી બહેન આફિયા અને સાથી સૈનિક આર્ખિપસને શુભેચ્છા. આપણા ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ બક્ષો. ભાઈ ફિલેમોન, જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે હંમેશાં તને યાદ કરીને હું મારા ઈશ્વરનો આભાર માનું છું. કારણ, ઈશ્વરના લોક માટેનો તારો પ્રેમ અને પ્રભુ ઈસુમાંના તારા વિશ્વાસ વિષે મેં સાંભળ્યું છે. મારી પ્રાર્થના છે કે તું બીજાઓને તારો વિશ્વાસ જણાવવામાં અસરકારક નીવડે; જેથી ખ્રિસ્ત ઈસુમાં મેળવાયાને લીધે તને જે આશિષો પ્રાપ્ત થઈ તેની સાચી અનુભૂતિ તારા જેવો વિશ્વાસ કરનારાઓને પણ થાય. પ્રિય ભાઈ, તારા પ્રેમથી મને પુષ્કળ આનંદ થયો છે અને ઘણું ઉત્તેજન મળ્યું છે! તેં ઈશ્વરના સર્વ લોકનાં હૃદયોને પ્રફુલ્લિત કર્યાં છે. આ કારણથી, ખ્રિસ્તમાં તારા ભાઈ તરીકે તારે શું કરવું જોઈએ તેની હું તને હિંમતપૂર્વક આજ્ઞા આપી શકું તેમ છું. પણ એને બદલે પ્રેમ મને વિનંતી કરવાની ફરજ પાડે છે. હું પાઉલ, ઈસુ ખ્રિસ્તનો રાજદૂત અને તેમને માટે હાલ કેદી હોવા છતાં આમ કરું છું. ઓનેસિમસ ખ્રિસ્તમાં મારો પ્રિય પુત્ર છે, કારણ, જેલમાં હું તેનો આત્મિક પિતા બન્યો છું. હું તને તેને માટે વિનંતી કરું છું. એક વખત તે તને સાવ બિનઉપયોગી હતો, પણ હવે તે આપણ બન્‍નેને ઉપયોગી બન્યો છે. હવે હું તેને, એટલે મારા પોતાના દિલને તારી પાસે પાછો મોકલું છું, તે અહીં મારી પાસે રહે તેવી મારી ઇચ્છા છે કે જેથી શુભસંદેશને લીધે જ્યારે હું જેલમાં છું ત્યારે તારી જગ્યાએ તે મને મદદ કરે. છતાં તું મને મદદ કરે તેવું દબાણ કરવા હું માગતો નથી; પણ તું સ્વેચ્છાથી તેમ કરે તેવું હું ઇચ્છું છું. આથી તારી સંમતિ વિના હું કંઈ કરીશ નહિ. કદાચ, ઓનેસિમસ થોડો સમય તારાથી દૂર રહ્યો એ માટે કે તે તારી પાસે સદા રહેવાને પાછો આવે. હવે તે ગુલામ જ નથી, પણ ગુલામથી વિશેષ છે. તે હવે ખ્રિસ્તમાં પ્રિય ભાઈ છે. તે મને કેટલો પ્રિય છે! તને પણ તે વ્યક્તિ તરીકે અને પ્રભુમાં ભાઈ તરીકે કેટલો પ્રિય થઈ પડશે! જો તું મને ભાગીદાર તરીકે સ્વીકારે છે તો જેમ તું મારો સત્કાર કરે છે તેમ તેનો પણ સત્કાર કરજે. જો તેણે તને કંઈ નુક્સાન કર્યું હોય અથવા તે તારો દેવાદાર હોય તો તે મારા ખાતામાં લખજે. આ શબ્દો હું મારા પોતાના હાથથી લખું છું: “હું પાઉલ એ દેવું ભરપાઈ કરી આપીશ.” તું તારા સમગ્ર જીવનને માટે મારો દેવાદાર છે તે વિષે તો હું તને કહેતો જ નથી! આથી પ્રિય ભાઈ, પ્રભુને લીધે આટલું જરૂર કરજે. ખ્રિસ્તમાં ભાઈ તરીકે મારા દયને આનંદિત કર! મારી વિનંતી પ્રમાણે તું કરીશ તેવી ખાતરીથી હું આ લખું છું, અને તું તેથી પણ વિશેષ કરશે તેમ હું જાણું છું. વળી, સાથે સાથે મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે. કારણ, ઈશ્વર તમ સર્વની પ્રાર્થનાઓનો જવાબ આપશે અને હું તમારી પાસે પાછો આવીશ એવી મારી આશા છે. અંતિમ શુભેચ્છા એપાફ્રાસ જે ખ્રિસ્ત ઈસુને લીધે મારી સાથે જેલમાં છે તે તમને શુભેચ્છા પાઠવે છે. તે જ પ્રમાણે મારા સહકાર્યકરો માર્ક, આરિસ્તાર્ખસ, દેમાસ અને લૂક. પણ તમને શુભેચ્છા પાઠવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વની સાથે રહો. પ્રાચીન કાળમાં ઈશ્વરપિતા આપણા પૂર્વજો સાથે પોતાના સંદેશવાહકો દ્વારા ઘણીવાર અને વિવિધ રીતે બોલ્યા હતા, પણ આ અંતિમ કાળમાં તે આપણી સાથે પોતાના પુત્ર દ્વારા બોલ્યા છે. તેમના દ્વારા ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું, અને છેવટે તેમને સર્વ વસ્તુઓના વારસદાર તરીકે નીમ્યા છે. તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે. ઈશ્વરે પુત્રને આપેલું નામ દૂતોના નામ કરતાં જેટલું મહાન છે, તેટલો જ પુત્ર પણ દૂતો કરતાં મહાન છે. કારણ, ક્યારેય ઈશ્વરે કોઈ દૂતને એમ નથી કહ્યું કે, “તું મારો પુત્ર છે અને, આજે હું તારો પિતા બન્યો છું.” અથવા, કોઈ દૂતને તેમણે એમ પણ નથી કહ્યું કે, “હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે.” વળી, ઈશ્વરે પોતાના પ્રથમજનિત પુત્રને દુનિયામાં મોકલતી વખતે ફરી કહ્યું, “ઈશ્વરના બધા દૂતો તેનું ભજન કરો.” દૂતો વિષે તો ઈશ્વરે આમ કહ્યું હતું: “ઈશ્વર પોતાના દૂતોને વાયુરૂપ અને પોતાના સેવકોને અગ્નિની જવાળારૂપ બનાવે છે.” પરંતુ પુત્ર માટે ઈશ્વર કહે છે: “હે ઈશ્વર, તારું રાજયાસન સનાતન છે. તું તારું રાજય ન્યાયથી ચલાવે છે. તું સત્યને ચાહે છે અને અસત્યને ધિક્કારે છે. તેથી ઈશ્વરે, તારા ઈશ્વરે તને પસંદ કર્યો છે, અને તારા સાથીદારો કરતાં તને વિશેષ આનંદથી અભિષિક્ત કર્યો છે.” તેમણે એમ પણ કહ્યું, “હે પ્રભુ, તેં આરંભમાં પૃથ્વીનું સર્જન કર્યું, અને તારા હાથો વડે આકાશો રચ્યાં. એ બધાં નાશ પામશે, પરંતુ તું કાયમ રહેશે. તેઓ તો વસ્ત્રની માફક ર્જીણ થઈ જશે, તું તેમને ઝભ્ભાની જેમ વાળી દેશે અને તેઓ વસ્ત્રની જેમ બદલાશે; પરંતુ તું હમેશાં એવો ને એવો જ છે, અને તારા આયુષ્યનો અંત નથી.” ઈશ્વરે કદી પોતાના દૂતને એમ નથી કહ્યું કે, “હું તારા દુશ્મનોને તારા પગ મૂકવાનું આસન ન બનાવું ત્યાં સુધી તું મારી જમણી તરફ બેસ.” તો પછી દૂતો કોણ છે? તેઓ તો ઈશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને ઈશ્વરે તેમને ઉદ્ધાર મેળવનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે. તેથી આપણે જે સંદેશ સાંભળ્યો છે, તેનાથી દૂર ફેંકાઈ ન જઈએ તે માટે આપણે તે પ્રત્યે પૂરું લક્ષ આપવું જોઈએ. જો દૂતોએ આપેલો સંદેશો સત્ય પુરવાર થયો અને જેમણે તે માન્યો નહીં અથવા તેનું પાલન કર્યું નહીં તેમને ઘટિત શિક્ષા કરવામાં આવી, તો આ મહાન ઉદ્ધારના સંદેશની ઉપેક્ષા કરીને આપણે શી રીતે બચી શકીશું? પ્રથમ પ્રભુએ પોતે આ ઉદ્ધારનો સંદેશ પ્રગટ કર્યો અને જેમણે એ વિષે સાંભળ્યું તેમણે તે સંદેશ સાચો છે એવી સાક્ષી આપણને પણ આપી. તે જ સમયે ઈશ્વરે શક્તિશાળી ચિહ્નો, આશ્ર્વર્યકારક કૃત્યો અને ભિન્‍ન ભિન્‍ન પ્રકારના ચમત્કારો દ્વારા તેનું સમર્થન પણ કર્યું. વળી, પોતાની ઇચ્છા પ્રમાણે તેમણે પવિત્ર આત્માની બક્ષિસો પણ આપી. જેના સંબંધી અમે વાત કરીએ છીએ તે આવનાર યુગને તેમણે દૂતોના અધિકાર નીચે મૂક્યો નથી. પરંતુ પવિત્ર શાસ્ત્રમાં કોઈક જગ્યાએ આવી સાક્ષી આપવામાં આવી છે: “હે ઈશ્વર, માણસની શી વિસાત કે તમે તેને લક્ષમાં લો; માનવપુત્ર કોણ કે તમે તેની કાળજી રાખો? થોડા સમય માટે જ દૂતો કરતાં તમે તેને ઊતરતી કક્ષાનો કર્યો, પણ પછી તમે તેને મહિમા તથા સન્માનનો મુગટ પહેરાવ્યો અને સર્વ વસ્તુઓ પર સત્તાધીશ બનાવ્યો.” ઈશ્વરે “તેને સર્વસત્તાધીશ” બનાવ્યો. એનો સ્પષ્ટ અર્થ તો એ છે કે તેના અધિકાર નીચે ન મૂકાયું હોય એવું કશું નથી. પરંતુ વર્તમાનમાં આપણે તેને બધા પર સત્તા ચલાવતો જોતા નથી. પરંતુ આપણે ઈસુને જોઈએ છીએ કે થોડા સમય માટે તેમને દૂતો કરતાં ઊતરતી કક્ષાએ મૂકવામાં આવ્યા, જેથી ઈશ્વરની કૃપા દ્વારા તે બધા મનુષ્યો માટે મૃત્યુ પામે અને જે મૃત્યુ તેમણે સહન કર્યું તેના પરિણામરૂપે આપણે તેમને મહિમા અને માનનો મુગટ પહેરાવેલા જોઈએ છીએ. સર્વનું સર્જન કરનાર અને ટકાવી રાખનાર ઈશ્વરને એ ઘટિત હતું કે તે તેમનાં ઘણાં સંતાનોને પોતાના મહિમાના ભાગીદાર બનાવવા એ સંતાનોના ઉદ્ધારર્ક્તા ઈસુને દુ:ખ દ્વારા પરિપૂર્ણ કરે. તે મનુષ્યોને તેમનાં પાપથી શુદ્ધ કરે છે, તેથી તે તથા જેમને તે શુદ્ધ કરે છે તે બધાના પિતા એક જ છે. તેથી ઈસુ તેમને પોતાના ભાઈઓ કહેતાં શરમાતા નથી. તે ઈશ્વરને કહે છે: “હે ઈશ્વર, હું મારા ભાઈઓને તમારું નામ પ્રગટ કરીશ. તેમની સભા મયે હું તમારી પ્રશંસા કરીશ.” તે એમ કહે છે, “હું ઈશ્વરમાં મારો વિશ્વાસ મૂકીશ.” વળી, તે કહે છે, “જે સંતાનો ઈશ્વરે મને આપ્યાં છે તેમની સાથે હું અહીં છું.” જેમને તે સંતાનો કહે છે તે માનવ પ્રકૃતિ ધરાવે છે. તેથી ઈસુ પોતે તેમના જેવા બન્યા અને મનુષ્ય સ્વભાવના ભાગીદાર બન્યા; જેથી તે પોતાના મૃત્યુ દ્વારા મૃત્યુ પર અધિકાર ધરાવનાર શેતાનનો નાશ કરે. અને તે દ્વારા જેઓ પોતાના જીવન દરમિયાન મૃત્યુની બીકના લીધે ગુલામ હતા તેમનો તે ઉદ્ધાર કરે. તે દૂતોને મદદ નથી કરતા એ તો સ્પષ્ટ છે. તેને બદલે જેમ શાસ્ત્ર કહે છે તે પ્રમાણે, “તે અબ્રાહામના વંશજોને મદદ કરે છે.” આથી બધી રીતે પોતાના ભાઈઓ જેવા થવું તેમને માટે જરૂરી હતું, જેથી લોકોનાં પાપની માફીને અર્થે તે ઈશ્વર સમક્ષ પોતાના ભાઈઓના વિશ્વાસપાત્ર અને દયાળુ મુખ્ય યજ્ઞકાર બને. ઈસુએ તેમને થયેલાં પ્રલોભનોમાં દુ:ખ સહન કર્યું હોવાથી હાલ જેમનું પ્રલોભન થાય છે તેમને મદદ કરવાને તે સક્ષમ છે. મારા પવિત્ર ભાઈઓ, તમને પણ ઈશ્વરે આમંત્રણ આપ્યું છે! આપણે પ્રગટ કરીએ છીએ તે વિશ્વાસના મુખ્ય યજ્ઞકાર થવા માટે ઈશ્વરે મોકલેલા ખ્રિસ્ત ઈસુનો વિચાર કરો. જેમ મોશે ઈશ્વરના ઘરમાં તેનાં બધાં કાર્યમાં વિશ્વાસુ હતો તેમ ઈસુ પણ ઈશ્વરે તેમને માટે પસંદ કરેલા કાર્ય પ્રત્યે વિશ્વાસુ હતા. જેમ ઘર કરતાં ઘર બાંધનારને વધુ માન મળે છે તેમ ઈસુ, મોશે કરતાં વધુ મહિમાને યોગ્ય છે. દરેક મકાનનો બાંધનાર તો કોઈક હોય છે જ - અને ઈશ્વરે બધી વસ્તુઓ બાંધી છે. ઈશ્વર ભવિષ્યમાં જે પ્રગટ કરવાના હતા તેની સાક્ષીના સંબંધમાં મોશે ઈશ્વરના આખા કુટુંબમાં સેવક તરીકે વિશ્વાસુ હતો, પરંતુ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘરકુટુંબ પર અધિકારી તરીકે વિશ્વાસુ છે. જે બાબતોની આપણે આશા રાખીએ છીએ તેમાં જો આપણે હિંમત તથા ભરોસો રાખીએ તો આપણે ઈશ્વરનું ઘર છીએ. પવિત્ર આત્મા કહે છે તેમ, “જો આજે તમે ઈશ્વરની વાણી સાંભળો, તો તમારા પૂર્વજોએ ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો અને રણપ્રદેશમાં તે દિવસે તેમની પરીક્ષા કરી તેમ તમે તેમના જેવા હઠીલા બનશો નહિ. ઈશ્વર કહે છે, “ચાળીસ વર્ષ મેં જે કાર્યો કર્યાં, તે જોયાં છતાં, તમારા પૂર્વજોએ મને ત્યાં ક્સોટીમાં મૂક્યો, અને મારી પરીક્ષા કરી. તે કારણથી મેં એ લોકો વિરુદ્ધ ગુસ્સે થઈને કહ્યું, ‘તેઓ હંમેશાં બેવફા નીવડયા છે, અને મારી આજ્ઞાઓ પાળવાનો ઇનકાર કરે છે.’ મેં ગુસ્સે ભરાઈને શપથ લીધા કે, ‘તેઓ મારા વિશ્રામમાં કદી જ પ્રવેશ કરશે નહિ.” મારા ભાઈઓ, સાવધ રહો કદાચ તમારામાંના કોઈનું હૃદય દુષ્ટ અને અવિશ્વાસુ બને અને તે જીવતા ઈશ્વરથી વિમુખ થાય. તેને બદલે, તમારામાંનો કોઈ પાપથી છેતરાય નહિ કે હઠીલો બને નહિ માટે પવિત્ર શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આપણે ‘આજનો દિવસ’ છે, ત્યાં સુધી દરરોજ તમારે એકબીજાને પ્રોત્સાહન આપવું જોઈએ. કારણ, આપણે જે ભરોસો પ્રથમ રાખ્યો હતો તેને ચોક્સાઈથી અંત સુધી પકડી રાખીએ, તો આપણે બધા ખ્રિસ્ત સાથે ભાગીદાર છીએ. પવિત્રશાસ્ત્ર આમ કહે છે: “જો આજે તમે ઈશ્વરની વાણી સાંભળો, તો જેમ તમે ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો ત્યારે બન્યા તેવા હઠીલા બનશો નહિ.” ઈશ્વરની વાણી સાંભળવા તેમની વિરુદ્ધ બળવો કરનાર કોણ હતા? એ જ લોકો કે જેમને મોશેએ ઇજિપ્તમાંથી મુક્ત કર્યા. કોના પર ઈશ્વર ચાળીસ વર્ષ સુધી ગુસ્સે રહ્યા? એ જ લોકો પર કે જેમણે પાપ કર્યું અને જેમનાં શબ આ અરણ્યમાં રઝડયાં. ઈશ્વરે શપથ લીધા, “તેઓ મારા વિશ્રામસ્થાનમાં કદી જ પ્રવેશ કરશે નહીં” આ શપથ તેમણે કોના સંબંધી લીધા? જેમણે બળવો કર્યો તેમના સંબંધી. તેથી આપણે જોઈએ છીએ કે, તેમના અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શક્યા નહિ. તેથી આપણે ભય રાખીએ; રખેને ઈશ્વરે આપણને તેમના વિશ્રામમાં પ્રવેશવાનું આપેલું વચન જારી હોવા છતાં કદાચ તમારામાંનો કોઈ તે વિશ્રામમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ નીવડે. કારણ, તેમની જેમ આપણે પણ શુભસંદેશ સાંભળ્યો છે. તેમણે સંદેશો સાંભળ્યો, પણ તેનાથી તેમને કંઈ લાભ થયો નહીં. કારણ, તેમણે તે સાંભળીને તેનો વિશ્વાસ સહિત સ્વીકાર કર્યો નહીં. પણ આપણે વિશ્વાસ કરનારા ઈશ્વરના વિશ્રામમાં જરૂર પ્રવેશ કરીશું. તેમણે જેમ કહ્યું હતું તેમ, “મેં ગુસ્સે ભરાઈને શપથ લીધા કે તેઓ મારા વિશ્રામસ્થાનમાં કદી પ્રવેશ કરશે નહિ!” સૃષ્ટિનું સર્જન કર્યું, તે સમયથી જ તેમનું કાર્ય પૂર્ણ થયું હોવા છતાં તેમણે એ કહ્યું. કારણ, સાતમા દિવસ સંબંધી પવિત્રશાસ્ત્રમાં એક જગ્યાએ આવું લખેલું છે: “ઈશ્વરે પોતાનાં સર્વ કાર્યોમાંથી સાતમે દિવસે વિશ્રામ લીધો.” આ જ બાબત સંબંધી ફરી કહેવામાં આવ્યું છે: “તેઓ મારા વિશ્રામમાં કદી જ પ્રવેશ કરશે નહિ.” તેમણે પ્રથમ શુભસંદેશ સાંભળ્યો, છતાં ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરી શક્યા નહિ. કારણ, તેમણે તે શુભસંદેશ પર વિશ્વાસ કર્યો નહીં. હજુ પણ કેટલાકને ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરવાનું બાકી રહે છે. આ બાબતની પ્રતીતિ એ પરથી થાય છે કે ઈશ્વરે બીજો દિવસ જેને ‘આજનો દિવસ’ કહેવાય છે તેને નિયત કર્યો છે. અગાઉ ઉલ્લેખ કરવામાં આવેલ શાસ્ત્રભાગમાં તે દિવસ સંબંધી ઘણાં વર્ષો પછી ઈશ્વર દાવિદ દ્વારા બોલ્યા, “જો આજે તમે ઈશ્વરની વાણી સાંભળો, તો હઠીલા બનશો નહિ.” જો યહોશુઆ લોકોને ઈશ્વરના વિશ્રામમાં દોરી ગયો હોત તો ઈશ્વર બીજા દિવસ સંબંધી પાછળથી બોલ્યા ન હોત. છતાં પણ, જેમ ઈશ્વરે સાતમે દિવસે વિશ્રામ કર્યો, તે રીતે ઈશ્વરનો વિશ્રામ તેમના લોકો માટે હજુ ઉપલબ્ધ છે. જેમ ઈશ્વરે પોતાનાં કાર્યોમાંથી વિશ્રામ કર્યો તેમ જે કોઈ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશે છે તે પોતાનાં સર્વ કાર્યોમાંથી વિશ્રામ લે છે. તેથી, ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા આપણે ખંતથી યત્ન કરીએ. તેમની માફક આપણે અનાજ્ઞાંક્તિ બનીને વિશ્રામમાં પ્રવેશ કરવાને નિષ્ફળ ન જઈએ. ઈશ્વરનું વચન જીવંત અને સમર્થ છે. બેધારી તલવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્મા તથા સાંધા અને મજ્જાના વિભાજન સુધી ઊંડે સુધી ઊતરી જાય છે. તે મનુષ્યના દયની ઇચ્છાઓ તથા વિચારોની પારખ કરે છે. ઈશ્વરથી છુપાવી શકાય એવી કોઈ જ બાબત નથી. તેમની સમક્ષ સૃષ્ટિની દરેક વસ્તુ ખુલ્લી તથા ઉઘાડી છે અને તેમની સમક્ષ આપણે બધાએ આપણો હિસાબ આપવો પડશે. તેથી, આપણે જે વિશ્વાસ પ્રગટ કરીએ છીએ તેને દૃઢતાથી પકડી રાખીએ. કારણ, આપણે માટે છેક ઈશ્વરની હજૂરમાં ગયેલા મહાન પ્રમુખ યજ્ઞકાર છે. આપણા એ પ્રમુખ યજ્ઞકાર ઈશ્વરપુત્ર ઈસુ આપણી નબળાઈઓ પ્રત્યે લાગણી ન ધરાવે એવા નથી. એથી ઊલટું, આપણા પ્રમુખ યજ્ઞકાર આપણી જેમ બધાં પ્રલોભનોમાંથી પસાર થયેલા છે, અને છતાં તેમણે પાપ કર્યું નથી. તેથી, આપણે હિંમતપૂર્વક ઈશ્વરના કૃપાસન પાસે દયા પામવાને તથા જરૂરને પ્રસંગે મદદ પ્રાપ્ત કરવાને જઈએ. દરેક પ્રમુખ યજ્ઞકાર માણસોમાંથી પસંદ કરવામાં આવે છે અને તેમના પ્રતિનિધિ તરીકે ઈશ્વરની સેવા કરવા, તેમજ અર્પણો તથા પાપોને માટે બલિદાનો ચઢાવવા તેને નીમવામાં આવે છે. પ્રમુખ યજ્ઞકારના પોતાનામાં ય ઘણી નબળાઈઓ હોઈ, તે અજ્ઞાન તથા ભૂલો કરનારાઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વર્તી શકે છે. વળી, તે પોતે નિર્બળ હોવાથી ફક્ત બીજાઓનાં જ નહિ, પરંતુ પોતાનાં પાપના પ્રાયશ્ર્વિત્ત માટે પણ તેણે બલિદાનો અર્પણ કરવાં પડે છે. કોઈ વ્યક્તિ પ્રમુખ યજ્ઞકાર થવાનું માન પોતે જ પસંદ કરતી નથી, પરંતુ આરોનની જેમ ફક્ત ઈશ્વરના આમંત્રણ અનુસાર જ માણસ પ્રમુખ યજ્ઞકાર બને છે. તે જ રીતે, ખ્રિસ્તે પણ પ્રમુખ યજ્ઞકાર થવાનું માન પોતે લીધું નહિ. પરંતુ ઈશ્વરે તેમને એ માન આપ્યું અને કહ્યું, “તું મારો પુત્ર છે, આજે હું તારો પિતા બન્યો છું.” તેમણે બીજી જગ્યાએ એમ પણ કહ્યું, “તું મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે મારો સનાતન યજ્ઞકાર છે.” આ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાંટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંક્તિ હતા તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું. તે ઈશ્વરપુત્ર હોવા છતાં દુ:ખસહન દ્વારા આજ્ઞાપાલન શીખ્યા. તે સંપૂર્ણ બન્યા, ત્યારે તેમને આજ્ઞાંક્તિ બનનાર બધાને માટે તે સાર્વકાલિક ઉદ્ધારનું ઉદ્ગમસ્થાન બની ગયા. અને ઈશ્વરે તેમને મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે પ્રમુખ યજ્ઞકાર જાહેર કર્યા. આ મેલ્ખીસેદેક પરથી અમારે ઘણું કહેવાનું છે. પરંતુ તમારી સમજશક્તિ એટલી મંદ છે કે તમને તે સમજાવવું ઘણું અઘરું છે. શિક્ષકો બનવા માટે તમને પૂરતો સમય મળ્યો છે; છતાં અત્યારે તો ઈશ્વરના સંદેશાનાં પ્રાથમિક સત્યો કોઈ તમને ફરીથી શીખવે એવી જરૂર છે. ભારે ખોરાકને બદલે તમારે હજી દૂધ પર રહેવું પડે છે. જો કોઈને હજી દૂધ પર રહેવું પડતું હોય તો તે હજી સુધી બાળક છે, અને સારુંનરસું પારખવામાં બિનઅનુભવી છે. પણ પરિપકવતાએ પહોંચેલાઓ માટે તો ભારે ખોરાક છે, કારણ, સારી નરસી બાબતો પારખવા તેમની વિવેકશક્તિ કેળવાયેલી છે. તેથી આપણે ખ્રિસ્તી સિદ્ધાંતના પ્રાથમિક શિક્ષણથી પણ આગળ જઈને સંપૂર્ણ શિક્ષણ તરફ વધીએ. નિર્જીવ કાર્યોથી પાછા ફરવું અને ઈશ્વરમાં વિશ્વાસ કરવો; બાપ્તિસ્માઓ સંબંધીનું શિક્ષણ તથા હાથ મૂકવાની ક્રિયા, મૂએલાંઓનું સજીવન કરાવું અને સાર્વકાલિક ન્યાય - આવાં પ્રાથમિક સત્યોના પાયા આપણે ફરીથી ન નાખીએ. ઈશ્વરની પરવાનગી હોય તો આપણે એ બધું કરીશું. જેઓ એકવાર ઈશ્વરના પ્રકાશમાં હતા, જેમણે સ્વર્ગીય બક્ષિસનો સ્વાદ માણ્યો, પવિત્ર આત્માના ભાગીદાર થયા, ઈશ્વરના સંદેશની ઉત્તમતાનો અનુભવ કર્યો અને આવનાર યુગના સામર્થ્યનો અનુભવ કર્યો, અને પછી અધ:પતન પામ્યા, તેમને પાપથી પાછા ફેરવવા એ અશક્ય છે. કારણ, તેઓ ઈશ્વરના પુત્રને પોતામાં ફરીવાર ક્રૂસે જડે છે અને તેમને જાહેરમાં નિંદાપાત્ર કરે છે. જે જમીન તેના પર વારંવાર પડતા વરસાદને શોષે છે અને જેણે તેને તૈયાર કરી છે તેને માટે ઉપયોગી છોડ ઉગાડે છે, તેને ઈશ્વર આશિષ આપે છે. પણ તે જમીન કાંટા ઝાંખરા ઉગાડે તો બિનઉપયોગી બને છે. તેવી જમીન શાપિત થવાના જોખમમાં છે; તે અગ્નિ દ્વારા બાળી નંખાશે. જો કે અમે આમ કહીએ છીએ તોપણ પ્રિયજનો, તમારાં કૃપાદાનો તેમ જ તમારા ઉદ્ધાર સંબંધી અમને ખાતરી છે, અને ઈશ્વર પક્ષપાતી નથી. તમે જે કાર્યો કર્યાં અથવા તમારા સાથી ખ્રિસ્તીઓને જે મદદ તમે કરી અને હજી પણ કરી રહ્યા છો તે દ્વારા જે પ્રેમ ઈશ્વર તરફ તમે બતાવ્યો તે તે ભૂલી જશે નહિ. અમારી એવી ઝંખના છે કે તમારી આશાની પરિપૂર્ણતા માટે તમે સૌ તે આશામાં અંત સુધી ખંત દાખવો. તમે આળસુ ન બનો, પણ વિશ્વાસ અને ધીરજથી ઈશ્વરનાં વચનોનો વારસો મેળવનારાઓનું અનુકરણ કરો. ઈશ્વરે અબ્રાહામને વચન આપ્યું ત્યારે વચન મુજબ કરવાને તેમણે શપથ લીધા હતા. ઈશ્વર કરતાં બીજું કોઈ મોટું ન હોવાથી, તેમણે શપથ લેતી વખતે પોતાના જ નામનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું, “હું તને વચન આપું છું કે હું તને આશિષ આપીશ અને ઘણાં સંતાનો પણ આપીશ.” અબ્રાહામ ધીરજવાન હતો અને તેથી તેના હક્કમાં ઈશ્વરે આપેલું વચન પૂર્ણ થયું. માણસ શપથ લે છે ત્યારે તે પોતા કરતાં બીજી કોઈ મહાન વ્યક્તિના નામનો ઉપયોગ કરે છે, અને એમ શપથ માણસો વચ્ચેના વિવાદનો નિકાલ લાવે છે. ઈશ્વરનો હેતુ અફર છે એવું વચનના ભાગીદાર થનારાઓને સ્પષ્ટ થાય તે માટે તેમણે શપથ સાથે પોતાનું વચન આપ્યું. તેથી વચન તથા શપથ એ બે બાબતો એવી છે કે તે કદી બદલાઈ શકે નહિ. તેમજ તેના સંબંધી ઈશ્વર જૂઠું બોલી શક્તા નથી. તેથી તેની સાથે સલામતી મેળવનાર એવા આપણને આપણી સમક્ષ મૂકવામાં આવેલી આશાને દૃઢતાથી વળગી રહેવા માટે ઘણું પ્રોત્સાહન મળે છે. આ આશા તો આપણા આત્મા માટે લંગર સમાન છે. તે સલામત અને ચોક્કસ છે તથા સ્વર્ગીય મંદિરના પડદામાં થઈને છેક અંદરના ભાગમાં પ્રવેશ કરે છે. ઈસુ આપણી પહેલાં આપણે માટે ત્યાં પ્રવેશીને મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે સનાતન પ્રમુખ યજ્ઞકાર બન્યા છે. મેલ્ખીસેદેક શાલેમનો રાજા તથા સર્વોચ્ચ ઈશ્વરનો યજ્ઞકાર હતો. અબ્રાહામ કેટલાક રાજાઓનો પરાજય કરીને યુદ્ધમાંથી પાછો આવતો હતો ત્યારે મેલ્ખીસેદેક તેને મળ્યો અને આશિષ આપી. અબ્રાહામે મળેલી બધી લૂંટમાંથી તેને દશમો ભાગ આપ્યો. (મેલ્ખીસેદેકના નામનો મૂળ અર્થ “ન્યાયદક્ષ રાજા” થાય છે. વળી, તે શાલેમનો રાજા હતો તેથી તેના નામનો બીજો અર્થ “શાંતિનો રાજા” પણ થાય છે). મેલ્ખીસેદેકનાં માતાપિતા કે તેના કોઈપણ પૂર્વજની કોઈ નોંધ મળતી નથી. વળી, તેના જન્મ કે મરણ સંબંધી પણ કોઈ નોંધ નથી. તે ઈશ્વરપુત્ર જેવો છે; યજ્ઞકાર તરીકે તે સર્વકાળ રહે છે. મેલ્ખીસેદેક કેટલો મહાન હતો તે લક્ષમાં લો! આદિપિતા અબ્રાહામે યુદ્ધમાંથી મળેલી લૂંટનો દશમો ભાગ તેને આપ્યો. લેવીના વંશમાં યજ્ઞકાર બનનારાઓને ઇઝરાયલી લોકો પાસેથી દશાંશ લેવાની નિયમશાસ્ત્રમાં આજ્ઞા આપવામાં આવી છે. આનો અર્થ તો એ થયો કે પોતે અબ્રાહામના વંશજો હોવા છતાં પણ પોતાના જાતભાઈઓ પાસેથી તેઓ દશાંશ મેળવે છે. મેલ્ખીસેદેક લેવીના વંશનો ન હતો. તો પણ તેણે અબ્રાહામ પાસેથી દશાંશ મેળવ્યો; એટલું જ નહિ, જેને પ્રભુએ વરદાન આપ્યું હતું તેવા અબ્રાહામને તેણે આશિષ આપી. આશિષ આપનાર વ્યક્તિ એ આશિષ મેળવનાર વ્યક્તિ કરતાં મહાન છે એમાં કોઈ જ શંકા નથી. દશાંશ ઉઘરાવનારા યજ્ઞકારો તો મર્ત્ય છે, પરંતુ મેલ્ખીસેદેકના સંબંધમાં તો જેમ શાસ્ત્ર કહે છે તે પ્રમાણે, અમર માનવે દશાંશ મેળવ્યો. એમ કહી શકાય કે જ્યારે અબ્રાહામે દશાંશ આપ્યો ત્યારે જેના વંશજો દશાંશ ઉઘરાવે છે એવા લેવીએ પણ દશાંશ આપ્યો. કારણ, લેવી હજી જન્મ્યો ન હતો. તેથી એમ કહી શકાય કે તેનો પૂર્વજ અબ્રાહામ મેલ્ખીસેદેકને મળ્યો ત્યારે લેવી અબ્રાહામની કમરમાં બીજરૂપે હતો. લેવીઓના યજ્ઞકાર પદને આધારે ઇઝરાયલી લોકોને નિયમ આપવામાં આવ્યો. હવે જો લેવીય યજ્ઞકારોનું કાર્ય ખામીરહિત ન હોત, તો આ આરોનના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણે નહિ, પણ મેલ્ખીસેદેકના યજ્ઞકારપદની પરંપરા પ્રમાણેના બીજા પ્રકારના યજ્ઞકારની જરૂર પડી ન હોત. તેથી જ્યારે યજ્ઞકારપદ બદલાય છે ત્યારે નિયમ પણ બદલાય છે. વળી, આપણા પ્રભુ જેમના સંબંધી આ બધું કહેવામાં આવ્યું છે તે બીજા જ કુળના હતા. અને આ કુળની કોઈ વ્યક્તિએ યજ્ઞકાર તરીકે વેદીની સેવા કદી કરી નથી. એ તો જાણીતી વાત છે કે તે તો યહૂદાના કુળમાં જન્મ્યા હતા; અને યજ્ઞકારો સંબંધી બોલતાં મોશેએ આ કુળનો ઉલ્લેખ કર્યો ન હતો. આ બાબત વધુ સ્પષ્ટ બને છે કે મેલ્ખીસેદેક જેવા બીજા એક યજ્ઞકાર ઊભા થયા છે. તેમને માનવી નિયમો કે ધારાધોરણ પ્રમાણે યજ્ઞકાર બનાવવામાં આવ્યા નથી; તે તો સાર્વકાલિક જીવનના સામર્થ્યથી યજ્ઞકાર બન્યા છે. કારણ, શાસ્ત્ર કહે છે, “મેલ્ખીસેદેકના યજ્ઞકાર- પદની પરંપરા પ્રમાણે તું સનાતન યજ્ઞકાર છે.” જૂનો નિયમ નિર્બળ અને નિરુપયોગી હોવાથી રદ કરાયો છે. કારણ, મોશેનો નિયમ કશાને સંપૂર્ણ કરી શક્તો નથી. પણ હવે જેના દ્વારા આપણે ઈશ્વરની નજીક આવીએ એવી વધુ સારી આશા આપવામાં આવેલી છે. આ ઉપરાંત, એમાં ઈશ્વરના શપથ પણ છે. જ્યારે બીજાઓને યજ્ઞકાર બનાવવામાં આવ્યા ત્યારે આવા કોઈ શપથ નહોતા. પરંતુ ઈસુ શપથ દ્વારા યજ્ઞકાર બન્યા, “ઈશ્વરે શપથ લીધા છે, અને તે પોતાના વિચારો બદલશે નહિ. ‘તું સનાતન યજ્ઞકાર છે.” આ તફાવત ઈસુને વધુ સારા કરારના જામીન બનાવે છે. વળી, બીજો પણ એક તફાવત છે; પેલા બીજા યજ્ઞકારો ઘણા હતા, કારણ, તેઓ મૃત્યુ પામતા હતા અને તેથી તેઓ પોતાના કાર્યમાં ચાલુ રહી શક્તા ન હતા. પરંતુ ઈસુ સર્વકાળ જીવે છે, અને તેથી તેમનું યજ્ઞકારપદ સાર્વકાલિક છે. તેથી જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મયસ્થી કરવા તે સર્વકાળ જીવે છે. ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે. તેથી બીજા પ્રમુખ યજ્ઞકારોની જેમ તેમને દરરોજ પ્રથમ પોતાનાં પાપોને માટે અને પછી લોકોનાં પાપોને માટે બલિદાન અર્પવાં પડતાં નથી. તેમણે પોતાનું અર્પણ કર્યું ત્યારે તેમણે હંમેશને માટે પર્યાપ્ત એવું બલિદાન એક જ વખત કર્યું. મોશેનો નિયમ પ્રમુખ યજ્ઞકાર તરીકે અપૂર્ણ માનવોને નીમે છે. પરંતુ નિયમ પછી આવેલું ઈશ્વરનું શપથપૂર્વકનું વચન, સર્વકાળ માટે સંપૂર્ણ બનાવવામાં આવેલા પુત્રને પ્રમુખ યજ્ઞકાર તરીકે નીમે છે. અમારા કહેવાનો સાર આ છે: આપણા આ પ્રમુખ યજ્ઞકાર એવા છે કે જેઓ સ્વર્ગમાં રાજાધિરાજના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે. તે માણસ નહિ, પણ પ્રભુ દ્વારા ઊભા કરાયેલા એવા સાચા મંડપના, પ્રમુખ યજ્ઞકાર તરીકે પરમ પવિત્રસ્થાનમાં સેવા કરે છે. પ્રત્યેક પ્રમુખ યજ્ઞકારને ઈશ્વર આગળ અર્પણ કરવા અને પ્રાણીઓનાં બલિદાન ચઢાવવા નીમવામાં આવે છે. તેથી આપણા પ્રમુખ યજ્ઞકાર પાસે પણ અર્પણ કરવા માટે કંઈક હોવું જોઈએ, જો તે પૃથ્વી પર હોત તો તે કદી જ યજ્ઞકાર બની શક્ત નહિ. કારણ, યહૂદી નિયમ પ્રમાણે અર્પણ કરનારા તો ઘણા યજ્ઞકારો છે. યજ્ઞકાર તરીકે તેઓ જે કાર્ય કરે છે, તે તો માત્ર સ્વર્ગીય મંડપનો નમૂનો અને પ્રતિછાયા છે. મોશેના સંબંધમાં પણ એવું જ હતું. જ્યારે તે મંડપ બનાવવાની શરૂઆત કરવાનો હતો ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “પર્વત પર તને જે નમૂનો બતાવવામાં આવ્યો તે જ પ્રમાણે બધું કરવાની ચોક્સાઈ રાખજે.” ઈશ્વર અને તેમના લોકો વચ્ચે ઈસુએ કરેલો કરાર વધુ સારાં વચનો પર આધારિત હોવાથી ચડિયાતો છે, તેમ એ બીજા યજ્ઞકારો કરતાં ઈસુને સોંપાયેલું યજ્ઞકાર તરીકેનું કાર્ય ચડિયાતું છે. જો પ્રથમ કરારમાં કંઈ જ ઊણપ ન હોત તો બીજા કરારની જરૂર ન પડત. પરંતુ ઈશ્વર પોતાના લોકોનો દોષ કાઢતાં કહે છે: “પ્રભુ કહે છે: એવા દિવસો આવે છે, જ્યારે હું ઇઝરાયલ તથા યહૂદાના લોકની સાથે નવો કરાર કરીશ. “પ્રભુ કહે છે: મેં તેમના પૂર્વજોને તેમનો હાથ પકડીને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે મેં જે કરાર તેમની સાથે કર્યો તેના જેવો એ કરાર નહિ હોય.” “મેં તેમની સાથે કરેલા કરારને તેઓ વિશ્વાસુ રહ્યા નહિ. અને તેથી મેં તેમની કંઈ પરવા કરી નહીં.” હવે, આવનાર દિવસોમાં હું ઇઝરાયલી લોકો સાથે આ કરાર કરીશ એવું પ્રભુ કહે છે: હું મારા નિયમો તેમના મનમાં મૂકીશ, અને તે તેમના દયપટ પર લખીશ. “હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોક થશે. તેમનામાંના કોઈએ પોતાના સાથી નાગરિકને કે પોતાના દેશબધુંને ‘પ્રભુને ઓળખ’ એમ કહીને શીખવવું પડશે નહિ. કારણ, નાનામોટા સૌ મને ઓળખતા હશે. તેમના અપરાધોના સંબંધમાં હું દયા દર્શાવીશ અને હવેથી હું તેમનાં પાપ યાદ કરીશ નહીં.” નવા કરાર સંબંધી વાત કરીને ઈશ્વરે પ્રથમ કરારને જૂનો ઠરાવ્યો; અને જે વસ્તુ જૂની અને ર્જીણ થઈ જાય છે તે થોડા વખતમાં જતી રહે છે. પ્રથમ કરારમાં આરાધના માટે નિયમો તથા માનવરચિત ભજનસ્થાન હતાં. એક મંડપ બનાવવામાં આવ્યો હતો અને તેનો બહારનો ભાગ પવિત્રસ્થાન કહેવાતો હતો. તે ભાગમાં દીપવૃક્ષ, મેજ તથા ઈશ્વરને અર્પિત રોટલી હતાં. બીજા પડદાની પાછળ પરમ પવિત્ર સ્થાન હતું. તેમાં ધૂપ બાળવા માટેની સુવર્ણ વેદી અને ચોમેર સોનાથી મઢેલી કરારપેટી હતાં. આ પેટીમાં માન્‍ના ભરેલું સુવર્ણપાત્ર, કળીઓ ફૂટેલી આરોનની લાકડી અને આજ્ઞાઓ લખેલી પથ્થરની બે પાટીઓ હતાં. આ પેટીના ઢાંકણ પર કરૂબ દૂતો હતા. જ્યાં પાપોની ક્ષમા મળતી હતી તે જગ્યા પર તેમની પાંખો પ્રસરેલી હતી. પરંતુ આ સર્વ બાબતો વિગતવાર રીતે સમજાવવાનો અત્યારે સમય નથી. આ વસ્તુઓ એ પ્રમાણે ગોઠવેલી હતી. યજ્ઞકારો પોતાની ફરજ બજાવવા મંડપની બહારના ભાગમાં દરરોજ જતા હતા; પરંતુ મંડપના અંદરના ભાગમાં માત્ર પ્રમુખ યજ્ઞકાર વર્ષમાં એક જ વાર જતો હતો. તે પોતાની સાથે રક્ત લઈ જતો અને પોતાને માટે અને લોકોએ અજાણતાં કરેલાં પાપને બદલે તે રક્ત ઈશ્વરને અર્પણ કરતો. આ બધી વ્યવસ્થા દ્વારા પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે શીખવે છે કે જ્યાં સુધી બહારનો મંડપ ઊભો છે ત્યાં સુધી પરમ પવિત્રસ્થાનમાં જવાનો માર્ગ ખોલવામાં આવ્યો નથી. આ ચિત્ર તો વર્તમાન સમયનો નિર્દેશ કરે છે. એનો અર્થ એ થાય છે કે ઈશ્વરને ચઢાવેલાં અર્પણો અને બલિદાનો ભક્તના દયને સંપૂર્ણ રીતે પવિત્ર કરી શક્તાં નથી. તેમનો સંબંધ ફક્ત ખોરાક, પીણાં અને જુદા જુદા પ્રકારના શુદ્ધિકરણના રીતરિવાજો સાથે જ છે. ઈશ્વર નવી વ્યવસ્થાની સ્થાપના કરે ત્યાં સુધી જ આ સર્વ બાહ્ય નિયમો લાગુ પડતા હતા. પરંતુ જે સારી બાબતો અત્યારે પણ હયાત છે તેના પ્રમુખ યજ્ઞકાર તરીકે ખ્રિસ્ત આવી પહોંચ્યા છે. જે મંડપમાં તે સેવા કરે છે તે વધુ મહાન અને વધારે સંપૂર્ણ છે. તે મંડપ માણસો દ્વારા બનાવવામાં આવ્યો નથી, એટલે કે તે આ સર્જેલી સૃષ્ટિનો ભાગ નથી. ખ્રિસ્ત એ મંડપમાં થઈને સર્વકાળ માટે માત્ર એક જ વાર પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ્યા. તે પોતાની સાથે અર્પણ તરીકે બકરા અને વાછરડાનું રક્ત લઈને નહીં પરંતુ પોતાનું રક્ત લઈને પ્રવેશ્યા અને તે દ્વારા આપણે માટે સાર્વકાલિક ઉદ્ધાર પ્રાપ્ત કર્યો. વિધિગત રીતે અશુદ્ધ હોય તેઓ પર બકરા તથા વાછરડાનું રક્ત અને વાછરડીની રાખ છાંટવામાં આવે છે અને તે દ્વારા તેમને તેમની તેવી અશુદ્ધતામાંથી શુદ્ધ કરવામાં આવે છે. જો એ સાચું છે તો ખ્રિસ્તના રક્ત દ્વારા શુદ્ધતા મળે તે કેટલું વધારે શકાય છે! કારણ, સનાતન આત્મા દ્વારા તેમણે પોતાનું સંપૂર્ણ બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું. તેમનું રક્ત આપણાં અંત:કરણોને મર્ત્ય કાર્યોથી શુદ્ધ કરે છે; જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ. આ કારણથી ખ્રિસ્ત નવા કરારના મયસ્થ છે, જેથી જેમને ઈશ્વરે આમંત્રણ આપ્યું છે તેઓ, ઈશ્વરે જે સાર્વકાલિક આશિષો સંબંધી વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરે. તે એટલા માટે શકાય છે કે, પહેલા કરારના અમલ દરમિયાન મનુષ્યોથી થયેલાં ઉલ્લંઘનોમાંથી મુક્તિ અપાવનાર મરણ ખ્રિસ્તે સહન કર્યું છે. વસિયતનામાની બાબતમાં, વસિયતનામું કરનાર વ્યક્તિ મૃત્યુ પામી છે એ પુરવાર કરવું અગત્યનું છે. કારણ, વસિયતનામું કરનાર વ્યક્તિ જીવે છે ત્યાં સુધી એ વસિયતનામાનો અમલ થઈ શક્તો નથી, પણ ફક્ત તેના મૃત્યુ પછી જ તેનો અમલ થઈ શકે. તેથી જ પ્રથમ કરાર પણ રક્તના ઉપયોગ દ્વારા જ અમલમાં લાવવામાં આવ્યો. મોશેએ પ્રથમ લોકોને નિયમશાસ્ત્રની સર્વ આજ્ઞાઓ કહી સંભળાવી. ત્યાર પછી તેણે વાછરડાનું રક્ત તથા પાણી લીધાં અને ઝૂફા અને કિરમજી ઊન વડે નિયમના પુસ્તક પર તથા સર્વ લોકો પર છાંટયાં. તેણે કહ્યું, “ઈશ્વરે જે કરારને આધીન રહેવાનું તમને ફરમાવ્યું છે તેને આ રક્ત મુદ્રાંક્તિ કરે છે.” તે જ પ્રમાણે, મોશેએ મંડપ પર તથા ભજનસેવામાં વપરાતી સર્વ વસ્તુઓ પર પણ રક્તનો છંટકાવ કર્યો. અલબત્ત, નિયમશાસ્ત્ર પ્રમાણે લગભગ બધી જ વસ્તુઓ રક્ત દ્વારા શુદ્ધ થાય છે; અને રક્ત વહેવડાવ્યા વગર પાપોની ક્ષમા મળતી નથી. સ્વર્ગીય વસ્તુઓના નમૂનાઓને આ રીતે શુદ્ધ કરવામાં આવતા હતા પરંતુ સ્વર્ગીય વસ્તુઓ માટે વધુ સારાં બલિદાનોની જરૂર પડે છે. કારણ, ખ્રિસ્ત માણસે બનાવેલ પવિત્ર સ્થાન કે જે માત્ર નમૂનો છે તેમાં નહિ, પરંતુ તે સ્વર્ગમાં જ ગયા; જ્યાં તે પણ આપણે માટે ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થાય છે. યહૂદી પ્રમુખ યજ્ઞકાર પવિત્ર સ્થાનમાં દર વર્ષે પ્રાણીઓના રક્ત સાથે પ્રવેશ કરે છે. પણ પોતાનું અર્પણ કરવા માટે ખ્રિસ્તે ઘણીવાર પ્રવેશ કર્યો નથી; કારણ, જો તે પ્રમાણે હોત તો સૃષ્ટિના સર્જનથી જ ઘણીવાર તેમને દુ:ખસહન કરવું પડયું હોત. તેને બદલે, જ્યારે સર્વ યુગોનો અંત પાસે આવ્યો છે, ત્યારે પોતાના બલિદાન દ્વારા પાપ દૂર કરવા તે સર્વકાળ માટે ફક્ત એક જ વાર પ્રવેશ્યા. દરેક વ્યક્તિએ એકવાર મરવું પડે છે અને ત્યાર પછી ઈશ્વર દ્વારા તેનો ન્યાય થાય છે. તે જ પ્રમાણે ઘણાનાં પાપ દૂર કરવા માટે ખ્રિસ્તનું રક્ત એક જ વાર અર્પણ કરવામાં આવ્યું. તેઓ બીજીવાર પાપના સંબંધમાં નહિ, પરંતુ જેઓ તેમની પ્રતીક્ષા કરે છે તેમનો ઉદ્ધાર કરવા પ્રગટ થશે. વળી, યહૂદી નિયમશાસ્ત્રમાં થનારી સારી બાબતોનું પ્રતિબિંબ માત્ર છે; તે બાબતોનું અસલી વાસ્તવિક સ્વરૂપ નથી. એનાં એ જ બલિદાનો વર્ષોવર્ષ હંમેશાં અર્પણ કરવામાં આવે છે. તો પછી નિયમશાસ્ત્ર આ બલિદાનો દ્વારા ઈશ્વરની પાસે આવનાર માણસોને કઈ રીતે સંપૂર્ણ બનાવી શકે? ઈશ્વરની ભક્તિ કરનાર લોકોને તેમનાં પાપોમાંથી સાચે જ શુદ્ધ કરવામાં આવ્યા હોત, તો તેમનું પાપ તેમને ડંખ્યા કરતું ન હોત, અને બધાં બલિદાનો બંધ થઈ ગયાં હોત. અત્યારની વ્યવસ્થા પ્રમાણે તો બલિદાનો લોકોને વર્ષોવર્ષ તેમનાં પાપની યાદ આપે છે. કારણ, આખલાનું અને બકરાનું રક્ત પાપ દૂર કરી શકે જ નહિ. આ જ કારણથી, જ્યારે ખ્રિસ્ત આ દુનિયામાં આવવાના હતા ત્યારે તેમણે ઈશ્વરને કહ્યું, “તમે બલિદાનો અને અર્પણો ઇચ્છતા નથી, પરંતુ તમે મારે માટે શરીર તૈયાર કર્યું છે. વેદી ઉપર પ્રાણીઓનાં શરીરોના સકલ દહનથી કે પાપ દૂર કરવા માટે કરાતાં બલિદાનોથી તમે પ્રસન્‍ન થતા નથી. ત્યારે મેં કહ્યું, ‘હે ઈશ્વર, નિયમના પુસ્તકમાં મારા સંબંધી લખેલું છે તેમ, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું તૈયાર છું.” પ્રથમ તેમણે કહ્યું, “વેદી ઉપર પ્રાણીઓનાં શરીરોના સકલ દહનથી કે પાપ દૂર કરવા માટે કરાતાં બલિદાનોથી તમે પ્રસન્‍ન થતા નથી.” આ બધાં બલિદાનો નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણ કરાતાં હતાં, છતાં તેમણે એમ કહ્યું. ત્યાર પછી તેમણે કહ્યું, “હે ઈશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું તૈયાર છું.” તેથી ઈશ્વર બધાં જૂનાં બલિદાનોને રદ કરીને તેની જગ્યાએ ખ્રિસ્તના બલિદાનને સ્થાન આપે છે. કારણ, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા. તેમણે પોતાના શરીર દ્વારા સર્વકાળને માટે જે અર્પણ કર્યું તેથી આપણ સૌને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા છે. દરેક યહૂદી યજ્ઞકાર ઊભો રહીને પોતાની સેવા દરરોજ બજાવે છે અને એકનાં એક બલિદાનો ઘણીવાર આપે છે. પરંતુ આ બલિદાનો કદી પાપ દૂર કરી શકે નહિ. પણ ખ્રિસ્ત તો પાપના નિવારણ માટે સર્વકાળને માટે યોગ્ય એવું એક જ બલિદાન આપીને ઈશ્વરની જમણી તરફ બિરાજમાન થયા છે. ત્યાં હવે તે પોતાના શત્રુઓને ઈશ્વર તેમના પગ મૂકવાનું આસન બનાવે તેની રાહ જુએ છે. આમ, જેઓ પાપમાંથી શુદ્ધ થયા છે તેમને તેમણે એક જ બલિદાનથી સર્વકાળને માટે સંપૂર્ણ બનાવ્યા છે. પવિત્ર આત્મા પણ તે વાતની સાક્ષી પૂરે છે. પ્રથમ તે કહે છે: “પ્રભુ કહે છે: આવનાર દિવસોમાં તેમની સાથે હું આ કરાર કરીશ: હું મારા નિયમો તેમનાં હૃદયોમાં મૂકીશ અને તેમનાં મન ઉપર તે લખીશ.” પછી તે કહે છે, “હું તેમનાં પાપ તથા દુષ્કર્મો ફરીથી યાદ કરીશ નહિ.” તેથી જો આ બધાંની માફી મળી ગઈ હોય, તો પાપના નિવારણ માટે હવે કોઈ અર્પણની જરૂર નથી. તેથી ભાઈઓ, ઈસુના મૃત્યુ દ્વારા પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ કરવા માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ. તેમણે પડદામાં થઈને એટલે કે, તેમના શરીરમાં થઈને આપણે માટે એક નવો અને જીવંત માર્ગ ખોલ્યો છે. આપણને તો ઈશ્વરના ઘરના વહીવટર્ક્તા તરીકે મહાન યજ્ઞકાર મળેલા છે. તેથી, દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હૃદયો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે નિષ્ઠાવાન હૃદય અને સંપૂર્ણ નિશ્ર્વયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની પાસે આવીએ. જે આશા આપણે પ્રગટ કરીએ છીએ તેને દૃઢતાથી વળગી રહીએ. કારણ, ઈશ્વર પોતાનું વચન પાળે છે એવો ભરોસો આપણે રાખી શકીએ છીએ. આપણે એકબીજાની કાળજી રાખીએ, મદદ કરીએ અને પ્રેમ દર્શાવીએ તથા સારાં કાર્યો કરીએ. કેટલાક કરે છે તેમ આપણે એકત્ર થવાનું પડતું ન મૂકીએ. એને બદલે, પ્રભુના દિવસને નજીક આવતો જોઈએ તેમ આપણે એકબીજાને વધુને વધુ ઉત્તેજન આપીએ. કારણ, આપણને સત્ય પ્રગટ કરવામાં આવ્યું હોવા છતાં આપણે જાણી જોઈને પાપ કર્યા કરીએ, તો તે પાપનું નિવારણ કરવા માટે બીજું કોઈ બલિદાન નથી. એને બદલે, આપણે આવનાર ન્યાયશાસનની તથા ઈશ્વરના વિરોધીઓને ભરખી જનાર અગ્નિની બીક રાખીએ. જે કોઈ મોશેના નિયમનું ઉલ્લંઘન કરે, અને બે કે ત્રણ સાક્ષીઓ દ્વારા તેનો ગુનો સાબિત થાય, તો તેને ક્રૂરતાથી મારી નાખવામાં આવે છે. તો જે વ્યક્તિ ઈશ્વરના પુત્રનો તિરસ્કાર કરે છે, ઈશ્વરના કરારનું રક્ત જેના દ્વારા તેને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યો હતો તેને અપવિત્ર ગણે છે તથા કૃપાના આત્માનું અપમાન કરે છે તેનું શું થશે? તે કેવી ઘોર શિક્ષાને પાત્ર ઠરશે! કારણ, “વેર વાળવું મારું ક્મ છે. હું જરૂર બદલો લઈશ,” અને “પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,” એવું કહેનારને આપણે ઓળખીએ છીએ. જીવંત ઈશ્વરના હાથમાં પડવું તે કેવું ભયંકર છે! તમારા ભૂતકાળને યાદ કરો. તે દિવસોમાં તમારા પર ઈશ્વરનો પ્રકાશ પ્રકાશ્યો. ત્યાર પછી તમે ઘણી બાબતો સહન કરી, છતાં મુશ્કેલીઓમાં તમે હારી ગયા નહિ. ઘણીવાર તમારું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું અને તમારા પર સિતમો ગુજારવામાં આવ્યા. વળી, કેટલીકવાર જેમના પ્રત્યે આવું વર્તન દાખવવામાં આવતું હતું તેમની પડખે ઊભા રહેવા તમે તૈયાર હતા. કેદીઓનાં દુ:ખોમાં તમે ભાગીદાર બન્યા, અને જ્યારે તમારી મિલક્ત લૂંટવામાં આવી, ત્યારે એ ખોટ તમે હસતે મુખે સહન કરી. કારણ, તમે જાણતા હતા કે તમારે માટે વધુ સારી અને અક્ષય સંપત્તિ સ્વર્ગમાં છે. તેથી હિંમત હારશો નહિ. કારણ, તમને એનું મોટું ઈનામ મળશે. તમે ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરી શકો અને તેમણે આપેલાં વચનો પામી શકો તે માટે તમારે ધીરજવાન થવાની જરૂર છે. કારણ, જેમ શાસ્ત્ર કહે છે તેમ, “હવે બહુ જ થોડો સમય બાકી છે, અને જે આવનાર છે તે જરૂર આવશે; તે વિલંબ કરશે નહિ. મારા ધોરણ પ્રમાણે વર્તનાર વિશ્વાસથી જ જીવશે; પરંતુ તેમાંનો કોઈ પાછો પડે તો, હું તેના ઉપર પ્રસન્‍ન નહીં થાઉં.” પણ આપણે પાછા પડીને નાશ પામીએ એવા લોકો નથી. એને બદલે, આપણે વિશ્વાસ રાખીએ છીએ અને ઉદ્ધાર પામીએ છીએ. હવે વિશ્વાસ તો આપણે જે આશા રાખીએ છીએ તેની બાંયધરી તથા હજી નજરે જોયું નથી તેની ખાતરી છે. પૂર્વજો વિશ્વાસ દ્વારા જ ઈશ્વરની પ્રશંસા પામ્યા. વિશ્વાસ દ્વારા જ આપણે સમજી શકીએ છીએ કે ઈશ્વરના શબ્દ દ્વારા સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું, જેથી જે અદૃશ્ય છે તેમાંથી દૃશ્યનું સર્જન થયું. વિશ્વાસને લીધે જ હાબેલે કાઈન કરતાં ચડિયાતું બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું, અને પોતાના વિશ્વાસ દ્વારા જ તેણે ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર તરીકેની પ્રશંસા સંપાદન કરી, કારણ, ઈશ્વરે તેના અર્પણનો સ્વીકાર કર્યો. હાબેલ મૃત્યુ પામ્યો હોવા છતાં વિશ્વાસને કારણે બોલે છે. વિશ્વાસને લીધે હનોખ મૃત્યુ પામ્યો નહિ, પણ એને બદલે, તેને ઈશ્વર પાસે લઈ લેવામાં આવ્યો, અને કોઈ તેને શોધી શકાયું નહિ, કારણ, ઈશ્વરે તેને ઉપર લઈ લીધો હતો. શાસ્ત્ર કહે છે કે ઉપર લઈ લેવાયા પહેલાં હનોખે ઈશ્વરને પ્રસન્‍ન કર્યા હતા. કોઈ વ્યક્તિ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્‍ન કરી શક્તી નથી. કારણ, જે ઈશ્વર પાસે આવે છે, તેનામાં એવો વિશ્વાસ હોવો જ જોઈએ કે ઈશ્વર છે અને તેમને ખંતથી શોધનારને તે પ્રતિફળ આપે છે. વિશ્વાસને લીધે હજી નજરે જોઈ નથી તેવી આવી પડનાર બાબતો અંગે ઈશ્વર તરફથી મળેલી ચેતવણીઓ નૂહે સાંભળી. તે ઈશ્વરને આધીન થયો, અને તેણે એક મોટું વહાણ બનાવ્યું. આથી તેનો તથા તેના કુટુંબનો બચાવ થયો. આ રીતે તેણે દુનિયાને દોષિત ઠરાવી અને વિશ્વાસ દ્વારા જ તે ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત ઠર્યો. ઈશ્વરે જ્યારે અબ્રાહામને આમંત્રણ આપ્યું ત્યારે તે વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન ઈશ્વરે આપ્યું હતું ત્યાં જવા ચાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે તે ન જાણ્યા છતાં તે પોતાના વતનમાંથી નીકળી ગયો. વિશ્વાસને લીધે જ, ઈશ્વરે જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તે પરદેશી તરીકે રહ્યો. ઇસ્હાક અને યાકોબ, જેમને ઈશ્વરે એ જ વચન આપ્યું હતું, તેમની સાથે અબ્રાહામ તંબૂઓમાં રહ્યો. કારણ, ઈશ્વરે જે શહેરનું આયોજન અને બાંધક્મ કર્યું છે તથા જેના પાયા સાર્વકાલિક છે, તે શહેરની તે અપેક્ષા રાખતો હતો. પોતાની ઉંમર વીતી ગઈ હોવા છતાં સારા પણ વિશ્વાસને લીધે ગર્ભ ધારણ કરવા શક્તિમાન બની; કારણ, ઈશ્વર પોતાનું વચન પૂરું કરશે એવો વિશ્વાસ તેણે રાખ્યો. તેથી મૃત:પ્રાય એવા એક માણસમાંથી આકાશના તારા જેટલા તથા સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા વંશજો ઉત્પન્‍ન થયા. આ બધા માણસો વિશ્વાસમાં જારી રહેતાં મૃત્યુ પામ્યા. ઈશ્વરે જે બાબતોનું વચન આપ્યું તે તેઓ પામી શક્યા નહિ. પરંતુ તેમણે તેમને દૂરથી જોઈને તેમનો આવકાર કર્યો, અને પોતે આ દુનિયામાં પરદેશી તથા પ્રવાસી છે એવો તેમણે એકરાર કર્યો. આવું કહેનારા એ સ્પષ્ટ દર્શાવે છે કે તેઓ પોતાના વતનની જ આશા રાખે છે. જ્યાંથી તેઓ નીકળી આવ્યા હતા તે દેશની તેમની ઝંખના નહોતી. જો એમ હોત, તો તેઓ માટે ત્યાં પાછા જવાની તક મળી હોત. એને બદલે, તેઓ એક વધુ સારા, એટલે સ્વર્ગીય દેશની ઝંખના સેવતા હતા. તેથી ઈશ્વર પોતાને તેમના ઈશ્વર તરીકે ઓળખાવતાં શરમાતા નથી. કારણ, તેમણે તેમને માટે એક શહેર તૈયાર કર્યું છે. જ્યારે ઈશ્વરે અબ્રાહામની પરીક્ષા કરી ત્યારે અબ્રાહામે વિશ્વાસને લીધે જ પોતાના પુત્ર ઇસ્હાકનું અર્પણ કર્યું. અબ્રાહામને ઈશ્વરે વચન આપ્યું હતું, છતાં પોતાના એકનાએક પુત્રનું બલિદાન અર્પવા તે તૈયાર હતો. ઈશ્વરે તેને કહ્યું હતું, “ઇસ્હાક દ્વારા જ આપેલા વચન પ્રમાણે તારા વંશજો ઉત્પન્‍ન થશે.” અબ્રાહામને ખાતરી હતી કે ઈશ્વર ઇસ્હાકને મૃત્યુમાંથી પણ સજીવન કરવા માટે શક્તિમાન છે અને તેથી કહી શકાય કે, અબ્રાહામે ઇસ્હાકને મરણમાંથી પાછો મેળવ્યો. વિશ્વાસ દ્વારા જ ઇસ્હાકે યાકોબ અને એસાવને આશિષ આપી. વિશ્વાસને લીધે જ યાકોબે મરતી વખતે યોસેફના બંને પુત્રોને આશિષ આપી, અને પલંગના પાયાની મૂઠના ટેકે નમીને ઈશ્વરનું ભજન કર્યું, પોતે મરવાની અણી પર હતો ત્યારે વિશ્વાસ દ્વારા જ યોસેફે “ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળી જશે.” તેમ કહ્યું હતું, અને પોતાના મૃતદેહ સંબંધી સૂચનાઓ આપી હતી. વિશ્વાસને લીધે જ મોશેનાં માતપિતાએ તેને તેના જન્મ પછી ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો. તેમણે જોયું કે તે સુંદર બાળક છે અને તેથી રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં તેઓ ડર્યાં નહિ. વિશ્વાસને લીધે જ, મોશેએ મોટો થયા પછી ફેરોની પુત્રીનો પુત્ર ગણાવાની ના પાડી. પાપની ક્ષણિક મઝા માણવા કરતાં તેણે ઈશ્વરના લોકો સાથે દુ:ખ સહન કરવાનું પસંદ કર્યું. ઇજિપ્તના સર્વ દ્રવ્યભંડારો કરતાં તેણે ખ્રિસ્તને માટે નિંદા સહન કરવાનું ઉત્તમ ગણ્યું. કારણ, તેની દૃષ્ટિ ભાવિ પ્રતિફળ પર મંડાયેલી હતી. વિશ્વાસને લીધે જ મોશેએ રાજાના ગુસ્સાની બીક રાખ્યા વગર ઇજિપ્તનો ત્યાગ કર્યો. પોતે અદૃશ્ય ઈશ્વરને જોયા હોય, તેમ તે મક્કમ રહ્યો. વિશ્વાસ દ્વારા જ તેણે પાસ્ખાપર્વની સ્થાપના કરી, તથા ઇઝરાયલીઓના પ્રથમજનિત પુત્રોને મરણનો દૂત મારી ન નાખે તે માટે તેણે દરવાજા પર રક્તનો છંટકાવ કરવાની આજ્ઞા કરી. વિશ્વાસને લીધે જ ઇઝરાયલીઓ જાણે કોરી ભૂમિ પર ચાલતા હોય તેમ લાલ સમુદ્ર પસાર કરી શકયા; પરંતુ તેવો પ્રયાસ કરવા જતાં ઇજિપ્તીઓ પાણીમાં ડૂબી ગયા. વિશ્વાસને લીધે જ ઇઝરાયલીઓએ યરીખો શહેરની દીવાલની આજુબાજુ સાત દિવસ સુધી કૂચ કરી, અને તેથી તે દીવાલો તૂટી પડી. વિશ્વાસને લીધે જ ઈશ્વરને આધીન નહિ થનારા લોકો સાથે રાહાબ વેશ્યાનો સંહાર થયો નહિ. કારણ, રાહાબે જાસૂસોને મૈત્રીભર્યો આવકાર આપ્યો હતો. આથી વધુ હું શું કહું? ગિદિયોન, બારાક, શિમશોન, યિફતા, દાવિદ, શમુએલ અને ઈશ્વરના સંદેશવાહકો, એ સર્વ વિષે કહેવાનો મારી પાસે પૂરતો સમય નથી. તેમણે વિશ્વાસ દ્વારા સામ્રાજ્યો જીત્યાં, સત્ય પ્રમાણે વર્ત્યા અને ઈશ્વરનાં વચનો પૂરાં થતાં જોયાં. તેમણે સિંહોનાં મુખ બંધ કર્યાં. ભડભડતા અગ્નિને હોલવી નાખ્યો. તેઓ તલવારની ધારથી બચી ગયા. તેઓ નિર્બળ હતા છતાં બળવાન બન્યા. તેમણે યુદ્ધમાં શૂરવીરતા દાખવી અને પરદેશી લશ્કરોને હાર આપી. વિશ્વાસ દ્વારા જ સ્ત્રીઓને પોતાનાં મૃત્યુ પામેલાં સ્વજનો સજીવન થઈને પાછાં મળ્યાં. પણ બીજા કેટલાકે તો વિશેષ સારું જીવન પ્રાપ્ત કરવા છુટકારાનો સ્વીકાર કર્યો નહિ, તેથી રીબાઈ રીબાઈને મારી નંખાયા. કેટલાકની મશ્કરી કરવામાં આવી અને કોરડા મારવામાં આવ્યા, બીજા કેટલાકને બાંધીને જેલમાં પૂરવામાં આવ્યા. બીજા કેટલાકને પથ્થરે મારવામાં આવ્યા, કરવતથી વહેરી નાખવામાં આવ્યા, તલવારથી કાપી નાખવામાં આવ્યા. તેઓ ગરીબાઈ, કષ્ટો અને અત્યાચારનો ભોગ બનીને ઘેટાં તથા બકરાંના ચામડાં પહેરીને રખડતા હતા. આ દુનિયા તેમને માટે લાયક ન હતી! તેઓ વેરાનમાં અને ડુંગરોમાં નિરાશ્રિતોની જેમ ભટક્તા હતા, અને ગુફાઓમાં તથા જમીનની બખોલોમાં વસતા હતા. એ બધા પોતાના વિશ્વાસ દ્વારા કેવી મહાન પ્રશંસા પામ્યા! છતાં તેઓ ઈશ્વરે આપેલા વચનનું ફળ પામી શક્યા નહોતા, કારણ, ઈશ્વરે આપણે માટે વધુ સારી યોજનાનું નિર્માણ કર્યું છે, ઈશ્વરનો હેતુ એ હતો કે તેઓ આપણી સાથે જ પરિપૂર્ણતા પ્રાપ્ત કરે. વાદળાંની જેમ આ સાક્ષીઓની મોટી ભીડથી આપણે ઘેરાઈ ગયા છીએ. તેથી માર્ગમાંની પ્રત્યેક અવરોધરૂપ બાબતથી અને આપણને વળગી રહેનાર પાપથી આપણે મુક્ત થઈએ અને આપણે માટે ઠરાવેલી સ્પર્ધામાં ખંતપૂર્વક દોડીએ. જેમના પર આપણા વિશ્વાસનાં આરંભ અને તેની પરિપૂર્ણતા આધારિત છે તે ઈસુ પર આપણે આપણી દૃષ્ટિ સ્થિર રાખીએ. પોતાની સમક્ષ રહેલા આનંદને કારણે તેમણે ક્રૂસ પરનું નામોશીભર્યું મરણ સહન કર્યું, અને હાલમાં ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે. પાપીઓનો મોટો વિરોધ સહન કરનાર ઈસુનો વિચાર કરો, જેથી તમે નિર્ગત અને નિરાશ ન થાઓ. કારણ, પાપ સામેના યુદ્ધમાં હજી તમારે લોહી રેડવા સુધી લડવું પડયું નથી. પોતાના પુત્રો તરીકે ઈશ્વર તમને જે ઉત્તેજનદાયક વચનો કહે છે તે શું તમે ભૂલી ગયા છો! “મારા પુત્ર, પ્રભુની શિક્ષાનો તું તિરસ્કાર ન કર, અને તે તને ઠપકો આપે ત્યારે નિરાશ ન થા. કારણ, પ્રભુ જેના પર પ્રેમ કરે છે તે દરેકને તે કેળવે છે. અને જેને તે પુત્ર તરીકે સ્વીકારે છે તેને તે શિક્ષા કરે છે.” તમારે જે સહન કરવું પડે છે તેને પિતા તરફથી થયેલી શિક્ષા તરીકે સ્વીકારો. કારણ, ઈશ્વર તમને પોતાના પુત્રો ગણીને વર્તાવ કરે છે. કોઈ એવો પુત્ર હોય કે જેને તેના પિતાએ કદી શિક્ષા ન કરી હોય? ઈશ્વરના બીજા પુત્રોની સાથે સાથે તમને શિક્ષા ન થઈ હોય તો તેનો અર્થ એ થયો કે તમે સાચા પુત્રો નથી, પરંતુ વ્યભિચારથી જન્મેલા પુત્રો છો. વળી, આપણા દૈહિક પિતા આપણને શિક્ષા કરતા અને આપણે તેમને માન આપતા હતા. તો પછી આપણા આત્મિક પિતાને વિશેષ આધીન થઈને આપણે ન જીવીએ? આપણા દૈહિક પિતાઓ આપણને થોડા સમય માટે તેમને યોગ્ય લાગે તેમ શિક્ષા કરતા. પરંતુ ઈશ્વર આપણા ભલાને માટે તેમ કરે છે, એ માટે કે આપણે તેમની પવિત્રતાના ભાગીદાર બનીએ. કોઈપણ શિક્ષા તત્કાળ તો આનંદદાયક લાગતી નથી, બલ્કે દુ:ખદાયક લાગે છે. પણ પાછળથી એવી શિક્ષા દ્વારા કેળવાયેલાઓનાં જીવન ઈશ્વરપરાયણતા અને શાંતિમાં પરિણમે છે. માટે તમારા ઢીલા પડી ગયેલા હાથોને ઊંચા કરો, અને તમારા લથડતા ધૂંટણોને મજબૂત બનાવો. તમારા લંઘાતા પગ ઊતરી ન જાય પણ સાજા થાય માટે સીધે માર્ગે ચાલ્યા કરો. બધાની સાથે શાંતિપૂર્વક રહેવાનો યત્ન કરો. વળી, પવિત્ર જીવન જીવવાનો યત્ન કરો. કદાચ કોઈ ઈશ્વરની કૃપાથી વિમુખ થાય માટે સાવધ રહો. કડવો છોડ ઊગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પહોંચાડે છે. તમારામાંનો કોઈ તેના જેવો ન થાય માટે સાવધ રહો. કોઈ વ્યભિચારી કે એસાવ જેવો દુષ્ટ ન નીકળે. એક ભોજન માટે એસાવે જયેષ્ઠ ભાઈ તરીકેના પોતાના હક્કો વેચી દીધા. તમે જાણો છો તેમ પાછળથી તે પોતાના પિતા પાસેથી આશિષ મેળવવાની ઝંખના રાખતો હતો, પરંતુ તેનો સ્વીકાર થયો નહિ, કારણ, રડી રડીને પ્રયત્ન કરવા છતાં તેણે જે કર્યું હતું તે બદલવા માટે કોઈ માર્ગ રહ્યો ન હતો. ઇઝરાયલી લોકોની માફક તમે સ્પર્શી શકાય એવા સિનાઈ પર્વત આગળ આવીને ઊભા નથી. ત્યાં તો અગ્નિની જ્વાળાઓ ભડભડતી હતી, ઘોર અંધકાર છવાયો હતો અને તોફાન જામ્યું હતું, રણશિંગડાનો નાદ ગાજતો હતો, એક એવો અવાજ સંભળાતો હતો કે જે સાંભળીને લોકો વધુ એકપણ શબ્દ ન સાંભળવા વિનંતી કરવા લાગ્યા. કારણ, “કોઈ પશુ પણ આ પર્વતને અડકે તો તેને પથ્થરથી મારી નાખવું.” એવી આજ્ઞા તેમનાથી સહન થઈ શકી નહિ. એ દૃશ્ય એટલું ભયાનક હતું કે મોશેએ કહ્યું, “હું ભયથી થરથરું છું.” એને બદલે, તમે સિયોન પર્વત પાસે અને જીવંત ઈશ્વરના નગરમાં, એટલે કે સ્વર્ગીય યરુશાલેમ જ્યાં લાખો દૂતો છે ત્યાં તમે આવ્યા છો. જેમનાં નામ સ્વર્ગમાં લખાયાં છે તેવા ઈશ્વરના પ્રથમ પુત્રોના આનંદમય સમુદાયમાં તમે આવ્યા છો. તમે બધાનો ન્યાય કરનાર ઈશ્વર પાસે તથા સંપૂર્ણ કરવામાં આવેલા નેકજનોના આત્માઓ પાસે આવ્યા છો. તમે નવા કરારના વ્યવસ્થાપક ઈસુ પાસે તથા છંટાયેલ રક્ત, જે હાબેલના રક્ત કરતાં વિશેષ સારી બાબતો વિષે બોલે છે તેની પાસે આવ્યા છો. તેથી સાવધ રહો, અને બોલનારની વાણી સાંભળવાનો ઇનકાર ન કરો. દુનિયા પર દૈવી સંદેશો આપનારનું સાંભળવાનો ઇનકાર કરનારાઓ બચી શક્યા નહિ, તો પછી સ્વર્ગમાંથી ચેતવનાર તરફ આપણે પીઠ ફેરવીએ તો કેવી રીતે બચી શકીશું? તે સમયે તો અવાજથી આખી પૃથ્વી હાલી ઊઠી હતી, પણ હવે ઈશ્વરે વચન આપ્યું છે: “હજી એકવાર હું એકલી પૃથ્વીને જ નહિ, પણ આકાશને પણ હલાવીશ.” ‘હજી એકવાર’ એ શબ્દો સ્પષ્ટ દર્શાવે છે કે સર્જેલી વસ્તુઓને હલાવી દેવામાં આવશે અને તેમનો નાશ કરવામાં આવશે કે જેથી ચલાયમાન ન થાય એવી વસ્તુઓ કાયમ રહે. તેથી આપણે આભાર માનીએ, કારણ, ચલિત ન થાય તેવું સ્વર્ગીય રાજ આપણને મળનાર છે. આપણે આભાર માનીએ અને ઈશ્વર પ્રસન્‍ન થાય તે રીતે આપણે તેમની ભક્તિ આદરપૂર્વક અને ભયસહિત કરીએ. કારણ, આપણા ઈશ્વર તો ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. ભ્રાતૃપ્રેમ જારી રાખો. તમારાં ઘરોમાં અજાણ્યાંઓની પરોણાગત કરવાનું યાદ રાખો. કેટલાકે અજાણતા જ દૂતોની પરોણાગત કરી હતી. જેઓ જેલમાં છે તેમને તમે પણ જાણે તેમની સાથે જેલમાં હો તેમ યાદ રાખો. જેમની સતાવણી થાય છે તેમને આત્મીયતાથી યાદ રાખો. સૌએ લગ્નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. કારણ, લંપટો અને વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે. દ્રવ્યલોભથી તમારાં જીવનો મુક્ત રાખો અને પોતાની પાસે જે છે તેનાથી સંતોષી રહો. કારણ, ઈશ્વરે કહ્યું છે, “હું તને કદી તજી દઈશ નહિ અને કદી તારો ત્યાગ કરીશ નહિ.” તેથી આપણે નિર્ભય બનીને કહીએ, “પ્રભુ મારા મદદગાર છે, હું ડરીશ નહિ. માણસ મને શું કરી શકશે?” તમને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર તમારા અગાઉના આગેવાનોને યાદ રાખજો. તેઓ કેવી રીતે જીવ્યા અને મૃત્યુ પામ્યા તેનો વિચાર કરો અને તેમના વિશ્વાસને અનુસરવા પ્રયત્ન કરો. ઈસુ ખ્રિસ્ત જેવા ગઈ કાલે હતા તેવા જ આજે છે અને સર્વકાળ તેવા જ રહેનાર છે. ભિન્‍નભિન્‍ન પ્રકારનું વિચિત્ર શિક્ષણ તમને સારા માર્ગોમાંથી દૂર ન લઈ જાય માટે સાવચેત રહો. ખોરાક સંબંધીના નિયમોને આધીન રહેવાથી નહિ, પણ આપણા આત્માઓ ઈશ્વરની કૃપા દ્વારા દૃઢ બને તે સારું છે. કારણ, ખોરાક સંબંધીના આ નિયમો પાળનારાઓને કશો જ લાભ થયો નથી. યહૂદી મંડપના યજ્ઞકારોને આપણી વેદી પરથી ખાવાનો કોઈ અધિકાર નથી. યહૂદી પ્રમુખ યજ્ઞકાર, પરમ પવિત્રસ્થાનમાં પ્રાણીઓનું રક્ત લઈને પાપોને માટે અર્પણ ચઢાવે છે; પરંતુ પ્રાણીઓનાં શરીરોને મંડપ બહાર બાળી નાખવામાં આવે છે. આ જ કારણથી ઈસુ પણ શહેરના દરવાજાની બહાર મૃત્યુ પામ્યા, જેથી પોતાના રક્ત દ્વારા તે લોકોને તેમનાં પાપમાંથી શુદ્ધ કરી શકે. તેથી આપણે પણ તેમની સાથે બહાર જઈને તેમની શરમના ભાગીદાર બનીએ. કારણ, આ દુનિયામાં આપણે માટે કાયમી નગર છે જ નહિ; આપણે તો આવનાર ભાવિ નગરની રાહ જોઈએ છીએ. તેથી, ઈસુ દ્વારા આપણે ઈશ્વરને આપણા બલિદાન તરીકે સ્તુતિનું અર્પણ હંમેશાં કરીએ. આ અર્પણ તેમનું નામ કબૂલ કરનાર હોઠો દ્વારા અપાય છે. સારું કરવાનું ન ચૂકો, તેમજ એકબીજાને મદદ કરવાનું પણ ન ભૂલો, કારણ, એવાં બલિદાનો દ્વારા ઈશ્વર પ્રસન્‍ન થાય છે. તમારા આગેવાનોને આધીન થાઓ, તેમની આજ્ઞાઓનું પાલન કરો. આરામ લીધા વગર તેઓ તમારા આત્માઓની સંભાળ રાખે છે. કારણ, તેમણે પોતાની સેવાનો હિસાબ ઈશ્વરને આપવાનો છે. જો તમે તેમને આધીન રહો તો તેઓ પોતાનું કાર્ય આનંદથી કરશે; નહિ તો તેઓ ઉદાસીનતાથી કાર્ય કરશે અને તેથી તમને કંઈ લાભ થશે નહિ. અમારે માટે હંમેશાં પ્રાર્થના કરો. અમને ખાતરી છે કે અમારું અંત:કરણ શુદ્ધ છે. કારણ, અમે હંમેશાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ. હું તમને વિશેષ આગ્રહથી વિનંતી કરું છું કે ઈશ્વર મને જલદીથી તમારી પાસે મોકલે તે માટે પ્રાર્થના કરો. હવે શાંતિદાતા ઈશ્વર જેમણે ઘેટાંઓના મહાન પાલક આપણા પ્રભુ ઈસુને, સનાતન કરાર પાકો કરવા માટે પોતાનું રક્ત રેડવાને કારણે સજીવન કર્યા, તે તમને તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે સુસજજ કરો અને તેમને જે પ્રસન્‍ન કરી શકે તેવી બાબતો ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણામાં પૂરી કરો. યુગોના યુગો સુધી ઈસુ ખ્રિસ્તને મહિમા હો! આમીન. મારા ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, આ ઉત્તેજનદાયક સંદેશા પર ધીરજથી ધ્યાન આપો. કારણ, આ તો મેં તમને ટૂંકમાં લખ્યું છે. આપણા ભાઈ તિમોથીને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો છે તે હું તમને જણાવવા માગું છું. જો તે સમયસર આવશે, તો હું તમને મળવા આવીશ ત્યારે તેને સાથે લેતો આવીશ. તમારા સર્વ આગેવાનો અને ઈશ્વરના સર્વ લોકોને અમારી શુભેચ્છા પાઠવજો. ઇટાલીના ભાઈઓ તમને શુભેચ્છા પાઠવે છે. ઈશ્વરની કૃપા તમ સર્વની સાથે હો. ઈશ્વરના અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક તરફથી વિવિધ સ્થળે દુનિયામાં વિખેરાઈ ગયેલાં બારે કુળને શુભેચ્છા. મારા ભાઈઓ, જ્યારે તમારા માર્ગમાં વિવિધ પ્રકારની ક્સોટીઓ આવે, ત્યારે તમે તેમાં આનંદ કરો. કારણ, તમે જાણો છો કે તમારા વિશ્વાસની ક્સોટી થવાને લીધે તમારામાં સહનશક્તિ પેદા થાય છે. તમારી સહનશક્તિ ખૂટી ન જાય પણ તે પૂરેપૂરી રીતે કાર્યરત રહે માટે ધ્યાન રાખજો, જેથી તમે પરિપકવ અને પરિપૂર્ણ બનો અને તમારામાં કંઈ ઊણપ રહે નહિ. જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઊણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે; કારણ, ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે. પણ તમારે વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ અને શંકા લાવવી જોઈએ નહિ. શંકાશીલ માણસ પવનથી ઊછળતા દરિયાના મોજાં જેવો અસ્થિર છે. એવો માણસ નથી નિર્ણય કરી શક્તો કે નથી તેના વ્યવહારવર્તનમાં સ્થિર રહી શક્તો. એવો માણસ દંભી છે. પ્રભુ તેને કંઈક આપશે તેવી ધારણા તેણે રાખવી જોઈએ નહિ. કોઈ ગરીબ ભાઈને ઈશ્વર ઉચ્ચ પદવી આપે, અને કોઈ ધનવાન ભાઈને નીચે સ્થાને લાવે તો તેમણે આનંદ કરવો. કારણ, ધનવાન તો જંગલમાંના ઘાસના ફૂલની માફક ચાલ્યો જવાનો છે. સૂર્યનો તાપ તપે છે એટલે ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે. તેમજ તેનું સૌંદર્ય નાશ પામે છે. એ જ પ્રમાણે, ધનવાન પણ જ્યારે પોતાના ધંધા રોજગારમાં મશગૂલ હશે ત્યારે તે નાશ પામશે. જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે. જો કોઈનું પ્રલોભન થાય, તો “આ પ્રલોભન ઈશ્વર તરફથી આવ્યું છે” એમ તેણે ન કહેવું. કારણ, ભૂંડાઈથી ઈશ્વરનું પ્રલોભન થઈ શકતું નથી અને તે પોતે કોઈનું પ્રલોભન કરતા નથી. પણ માણસ પોતાની દુર્વાસનાઓથી લલચાઈને ફસાઈ જાય છે. ત્યાર પછી આ દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પુખ્ત થઈને મરણ નિપજાવે છે. મારા પ્રિય ભાઈઓ, છેતરાશો નહિ. દરેક સારી બક્ષિસ અને દરેક સંપૂર્ણ કૃપાદાન સ્વર્ગમાંથી એટલે, સર્વ પ્રકાશના ઉદ્ભવસ્થાન, સ્વયંપ્રકાશ ઈશ્વર પાસેથી આવે છે; તેમનામાં કોઈ ફેરફાર થતો નથી કે ફરવાથી પડછાયો પડતો નથી. તેમણે પોતાની ઇચ્છાથી જ સત્યના સંદેશ મારફતે આપણને જન્મ આપ્યો છે, જેથી સર્વ સર્જનમાં આપણું સ્થાન પ્રથમ રહે. મારા પ્રિય ભાઈઓ, આટલું યાદ રાખો: દરેકે સાંભળવામાં તત્પર, બોલવામાં ધીરા અને ગુસ્સે થવામાં ધીમા થવું જોઈએ. ઈશ્વરનો ન્યાયી ઇરાદો કંઈ માણસના ગુસ્સાથી ફળીભૂત થતો નથી. આથી તમારામાંથી કુટેવો અને દુષ્ટતા દૂર કરો. ઈશ્વરને આધીન થાઓ અને તમારો ઉદ્ધાર થાય માટે તમારાં હૃદયોમાં ઈશ્વરે વાવેલો સંદેશ ગ્રહણ કરો. ઈશ્વરનો સંદેશ અનુસરો; તેને માત્ર સાંભળીને તમારી જાતને છેતરો નહિ. જે કોઈ સંદેશ સાંભળીને તેને અમલમાં મૂક્તો નથી તે અરીસામાં જોનારના જેવો છે: તે પોતાને ખૂબ ધ્યનથી નિહાળે છે અને પછી ત્યાંથી ખસી જતાં પોતે કેવો લાગે છે તે તરત જ ભૂલી જાય છે. પણ માનવીને સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમમાં જે કોઈ પોતાને ધ્યનથી નિહાળે છે અને તેના પ્રત્યે સતત ધ્યાન આપે છે તથા સાંભળીને ભૂલી નહિ જતાં તેનો જીવનમાં અમલ કરે છે તેવી વ્યક્તિને તેના સર્વ કાર્યમાં ઈશ્વર આશિષ આપશે. શું કોઈ પોતાને ધાર્મિક માને છે? જો તે પોતાની જીભને કાબૂમાં રાખતો નથી તો તેનો ધર્મ નિરર્થક છે અને તે પોતાની જાતને છેતરે છે. અનાથ અને વિધવાઓની તેમનાં દુ:ખોમાં કાળજી લો અને આ દુનિયાની અશુદ્ધતાથી પોતાની જાતને દૂર રાખો. ઈશ્વરપિતા આવા જ ધર્મને શુદ્ધ અને સાચો ગણે છે. મારા ભાઈઓ, તમે આપણા મહિમાવંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો હોવાથી તમારે બાહ્ય દેખાવ પરથી લોકો પ્રત્યે ભેદભાવવાળું વર્તન દાખવવું ન જોઈએ. ધારો કે તમારી સભામાં એક ધનવાન માણસ સોનાની વીંટી અને કિંમતી પોશાક પહેરીને આવે છે; અને બીજો એક ગરીબ માણસ ફાટેલાં વસ્ત્રો પહેરીને આવે છે. જો તમે કિંમતી પોશાક પહેરેલાને માન આપો અને કહો, “આ સારી જગ્યાએ બેસો,” પણ પેલા ગરીબને કહો, “ઊભો રહે,” અથવા “મારા પગ પાસે અહીં જમીન પર બેસી જા” તો તમે તમારા મયે ભેદભાવ પેદા કરવા સંબંધી દોષિત છો અને તમે ખોટા ઇરાદાથી નિર્ણય કરો છો. મારા ભાઈઓ, સાંભળો! ઈશ્વરે આ દુનિયાના ગરીબોને પસંદ કર્યા, જેથી તેઓ વિશ્વાસમાં ધનવાન બને અને ઈશ્વર પર પ્રેમ કરનારાઓને રાજ આપવાનું જે વચન તેમણે આપ્યું છે તે તેઓ પ્રાપ્ત કરે. પણ તમે તો ગરીબોનું અપમાન કરો છો. તમારા પર જુલમ ગુજારનારાઓ અને તમને કોર્ટમાં ઘસડી લઈ જનારા ધનવાનો જ છે. તમને આપવામાં આવેલા સારા નામનું તેઓ જ ભૂંડું બોલે છે. શાસ્ત્રમાંથી મળી આવતો રાજમાન્ય નિયમ આ છે: “જેવો તારી જાત પર તેવો જ તારા સાથી ભાઈ પર પ્રેમ કર.” જો તમે એ પાળો તો તમે સારું કરો છો. પણ જો તમે બાહ્ય દેખાવ પ્રમાણે માણસો સાથે વર્તાવ કરો તો તમે પાપથી દોષિત છો અને એ નિયમ તમને નિયમ તોડનાર તરીકે દોષિત ઠરાવે છે. જો કોઈ નિયમશાસ્ત્રની એક આજ્ઞા પણ તોડે તો તે સર્વ આજ્ઞાઓનો ભંગ કરવા સંબંધી દોષિત છે. કારણ, “વ્યભિચાર ન કર,” એવું જેમણે કહ્યું, તેમણે જ કહ્યું છે કે, “ખૂન ન કર.” જો કે તમે વ્યભિચાર ન કરો, પણ ખૂન કરો, તો ય તમે નિયમ તોડનાર બની જાઓ છો. માનવીને સ્વતંત્ર બનાવનાર નિયમની મારફતે જેમનો ન્યાય થવાનો છે તેવા માણસો તરીકે તમે બોલો અને વર્તો. કારણ, દયાહીન માણસનો ન્યાય કરતી વખતે ઈશ્વર દયા દાખવશે નહિ, પણ ન્યાય પર દયાનો વિજય થશે. મારા ભાઈઓ, જો કોઈ એમ કહે કે, “મને વિશ્વાસ છે” પણ તેનાં કાર્યો તેવું પુરવાર કરતાં ન હોય તો તેથી શો ફાયદો? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે? ધારો કે કોઈ ભાઈ કે બહેનની પાસે પૂરતાં કપડાં કે ખોરાક નથી. અને તમે તેમને કહો, “જાઓ, તમારું કલ્યાણ થાઓ! વસ્ત્રો પહેરીને હૂંફ મેળવો અને સારું ખાઈને તૃપ્ત થાઓ!” પણ જો તમે તેમના જીવનની જરૂરિયાતો પૂરી પાડો નહિ તો તેથી શો ફાયદો? વિશ્વાસ સંબંધી પણ આમ જ છે. કાર્યરહિત વિશ્વાસ નિર્જીવ છે. પણ કોઈ કહેશે, “એક વ્યક્તિ પાસે વિશ્વાસ છે, જ્યારે બીજા પાસે કાર્યો છે.” મારો જવાબ છે: “કાર્યો વગર વિશ્વાસ કેવી રીતે બતાવી શકાય તે મને સમજાવો. હું મારા વિશ્વાસને મારાં કાર્યો દ્વારા દર્શાવીશ.” ઈશ્વર એક જ છે એવું તમે માનો છો? તો તે સારી વાત છે. દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે અને બીકથી ધ્રૂજે છે. અરે મૂર્ખ! કાર્ય વગરનો વિશ્વાસ નકામો છે તે માટે તારે પુરાવો જોઈએ છે? આપણા પૂર્વજ અબ્રાહામનો ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે કેવી રીતે સ્વીકાર થયો? જ્યારે તેણે પોતાના પુત્ર ઇસ્હાકને વેદી પર અર્પી દીધો ત્યારે તેનાં કાર્યોથી જ તેમ બન્યું. તમે સમજી શક્તા નથી? એમ થવામાં તેનાં વિશ્વાસ અને કાર્યો બન્‍ને હતાં. તેનાં કાર્યોથી તેનો વિશ્વાસ સંપૂર્ણ બન્યો. આથી શાસ્ત્રવચન સાચું પડયું કે, “અબ્રાહામે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેના વિશ્વાસને લીધે ઈશ્વરે તેનો સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો.” તેથી અબ્રાહામને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો. માણસ માત્ર વિશ્વાસથી જ નહિ, પણ કાર્યથી ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થાય છે. રાહાબ વેશ્યાના કિસ્સામાં પણ એમ જ છે. તેનાં કાર્યોની મારફતે ઈશ્વરે તેનો સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો. તેણે યહૂદી સંદેશકોનો આદરસત્કાર કર્યો અને નાસી છૂટવામાં તેમની સહાય કરી. તે જ પ્રમાણે, જેમ આત્મા વગર શરીર મરેલું છે, તેમ કાર્યો વગર વિશ્વાસ પણ નિર્જીવ છે. મારા ભાઈઓ, તમારામાંથી ઘણાએ ઉપદેશક બનવું નહિ. કારણ, આપણ ઉપદેશકોનો ન્યાય બીજા કરતાં વધુ કડકાઈથી થશે તેની તો તમને ખબર છે. આપણે બધા ઘણીવાર ભૂલો કરીએ છીએ. જે વ્યક્તિ બોલવામાં ભૂલ કરતી નથી તે સંપૂર્ણ છે અને તેના સંપૂર્ણ વ્યક્તિત્વને કાબૂમાં રાખવા શક્તિમાન છે. ઘોડાને કાબૂમાં રાખવા લગામ રાખવામાં આવે છે, જેથી આપણી ઇચ્છા મુજબ તેને ચલાવી શકીએ છીએ. અથવા વહાણનો વિચાર કરો. તે ઘણું મોટું હોય છે અને ભારે પવનથી ચાલે છે, છતાં બહુ નાના સુકાનથી સુકાની પોતાની ઇચ્છા મુજબ તેને હંકારી શકે છે. જીભ વિષે પણ એમ જ છે. ઘણી નાની હોવા છતાં તે મહાન બાબતો વિષે બડાઈ મારે છે. જરા વિચાર કરો કે અગ્નિનો બહુ નાનો તણખો મોટા જંગલને સળગાવી શકે છે. તેમ જીભ પણ અગ્નિ જેવી છે. એ તો જૂઠની દુનિયા છે. અન્ય અવયવો સાથે તેને પણ આપણા શરીરમાં સ્થાન છે. આપણા સમગ્ર વ્યક્તિત્વની મારફતે તે ભૂંડાઈ ફેલાવે છે. તેની મારફતે આવતા નર્કાગ્નિથી આપણા સમગ્ર અસ્તિત્વને તે સળગાવે છે. દરેક પ્રકારનાં પ્રાણીઓ, પક્ષીઓ, સર્પટિયાં અને માછલાંને માણસે કાબૂમાં રાખ્યાં છે, પણ કોઈએ કદી જીભને કાબૂમાં રાખી નથી, તે તો ભૂંડી અને કાબૂમાં રાખી ન શકાય તેવી છે. વળી, ક્તિલ ઝેરથી ભરપૂર છે. આપણે આપણા પ્રભુ અને ઈશ્વરપિતાની સ્તુતિ કરવા તેનો ઉપયોગ કરીએ છીએ અને સાથે સાથે ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે સર્જવામાં આવેલા આપણા સાથી માનવોને તે જ જીભથી શાપ આપીએ છીએ. સ્તુતિ અને શાપ એક જ મુખમાંથી નીકળે છે. મારા ભાઈઓ, આવું તો ન જ બનવું જોઈએ; ઝરણાના મુખમાંથી કડવું અને મીઠું પાણી નીકળી શકે ખરું? મારા ભાઈઓ, અંજીરના વૃક્ષને ઓલિવનું ફળ આવે? અને દ્રાક્ષવેલાને કદી અંજીર બેસે? તે જ રીતે ખારા પાણીનો ઝરો મીઠું પાણી આપી શક્તો નથી. શું તમારામાં કોઈ જ્ઞાની અને સમજુ છે? તો ઉત્તમ જીવનથી, નમ્રતાથી અને જ્ઞાનથી કરેલાં પેતાનાં સારાં કાર્યો દ્વારા તેણે તે પુરવાર કરવું જોઈએ. પણ જો તમે તમારાં હૃદયોમાં ઈર્ષાળુ, ઝેરીલા અને સ્વાર્થી હો તો તમારે ગર્વ કરવો નહિ અને સત્યની વિરુદ્ધ જૂઠું બોલવું નહિ. આ પ્રકારનું જ્ઞાન ઈશ્વર તરફથી નથી, પણ તે દુન્યવી, વિષયી અને શેતાની છે. જ્યાં ઈર્ષા અને સ્વાર્થ છે, ત્યાં અવ્યવસ્થા અને સર્વ પ્રકારની દુષ્ટતા છે. પણ ઈશ્વર તરફથી આવતું જ્ઞાન સૌ પ્રથમ તો નિર્મળ છે; વળી, તે શાંતિદાયક, નમ્ર, મૈત્રીભાવી અને દયાપૂર્ણ હોય છે. તે સારાં કાર્યો નિપજાવે છે. તેમાં ભેદભાવ કે દંભ નથી. શાંતિ કરાવનારાઓ શાંતિનાં જે બીજ વાવે છે તેના ફળરૂપે સદ્ભાવના નીપજે છે. તમારામાં લડાઈ અને ઝઘડા ક્યાંથી થાય છે? તે તો તમારાં શરીરોમાં સતત લડાઈ કરતી તમારી ભોગવિલાસની લાલસાઓથી આવે છે. તમે દુર્વાસના સેવો છો, પણ તે તૃપ્ત થતી નથી, અને તેથી તમે ખૂન કરો છો; તમે કેટલીક વસ્તુઓની તીવ્ર ઝંખના રાખો છો, પણ તમે તે પ્રાપ્ત કરી શક્તા નથી અને તેથી તમે ઝઘડા કરો છો. તમે ઈશ્વર પાસે માગો છો પણ મળતું નથી; કારણ, તમે તમારી ભૂંડી ઇચ્છાઓ સંતોષવાના ખોટા ઇરાદાથી માગો છો. હે ઈશ્વરને બેવફા બનનારા લોકો, તમને ખબર નથી કે દુનિયાના મિત્ર થવું તે ઈશ્વરના દુશ્મન થવા બરાબર છે? જે કોઈ દુનિયાનો મિત્ર થવા ચાહે છે તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે. “આપણામાં વસવા આવેલ આત્મા આપણી પાસેથી ઈશ્વર પ્રત્યે અનન્ય નિષ્ઠાની ઝંખના રાખે છે” એવું જે શાસ્ત્રવચન છે તે વ્યર્થ કહ્યું હશે એમ તમે માનો છો? ઈશ્વર વધુ કૃપા આપે તે માટે શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર ગર્વિષ્ઠને ધિક્કારે છે, પણ નમ્રને કૃપા આપે છે.” તેથી તમે ઈશ્વરને આધીન થાઓ. શેતાનની સામા થાઓ એટલે તે તમારાથી દૂર ભાગશે. ઈશ્વરની પાસે આવો એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ! તમારા હાથ ચોખ્ખા કરો. ઓ દંભીઓ, તમારાં હૃદયો શુદ્ધ કરો. દુ:ખી થાઓ, વિલાપ કરો ને રુદન કરો. તમારા હાસ્યને રુદનમાં અને આનંદને શોકમાં ફેરવી નાખો. પ્રભુની આગળ પોતાને નમ્ર કરો અને તે તમને ઉચ્ચસ્થાને મૂકશે. મારા ભાઈઓ, એકબીજાની નિંદા ન કરો. જો કોઈ પોતાના ભાઈની નિંદા કરે કે ન્યાય કરે તો તે નિયમશાસ્ત્રની નિંદા અને ન્યાય કરે છે. જો તમે નિયમશાસ્ત્રનો ન્યાય કરો તો પછી તમે નિયમનું પાલન કરનારા નહિ, પણ તેના ન્યાયાધીશ બનો છો. ફક્ત ઈશ્વર જ નિયમદાતા અને ન્યાયાધીશ છે. ફક્ત તે જ બચાવી શકે છે અને નાશ કરી શકે છે. તમારા સાથીભાઈનો ન્યાય કરનાર તમે કોણ છો? “આજે કે આવતી કાલે અમે અમુક શહેરમાં જઈશું, ત્યાં એક વર્ષ સુધી વેપાર કરીને કમાઈશું.” એવું કહેનારા તમે મારું સાંભળો. આવતીકાલે તમારા જીવનનું શું થશે તે તમે જાણો છો? તમે તો ધૂમ્મસ જેવા છો. જે થોડીવાર સુધી દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે. તમારે તો આમ કહેવું જોઈએ: જો પ્રભુની ઇચ્છા હશે તો અમે જીવતા રહીશું અને આ અથવા પેલું કાર્ય કરીશું. પણ હાલ તમે ગર્વિષ્ઠ છો અને બડાઈ મારો છો. આ પ્રકારનો તમામ ગર્વ નકામો છે. સારું કાર્ય શું છે તે જાણ્યા છતાં તે ન કરનારને પાપ લાગે છે. હવે હે ધનિકો, મારું સાંભળો! તમારા પર આવી પડનાર દુ:ખોને લીધે રુદન અને વિલાપ કરો. તમારું ધન સડી ગયું છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે. તમારું સોનુંરૂપું ક્ટથી ખવાઈ ગયું છે અને તે ક્ટ તમારી વિરુદ્ધ સાક્ષી પૂરશે અને તમારા શરીરને અગ્નિની જેમ ભરખી જશે. આ છેલ્લા દિવસોમાં તમે ધનનો સંગ્રહ કર્યો છે. તમારા ખેતરોમાંના મજૂરોને હજી સુધી તમે વેતન આપ્યું નથી. તેમની ફરિયાદો સાંભળો! તમારા ખેતમજૂરોની બૂમ સર્વસમર્થ ઈશ્વર પ્રભુને કાને પહોંચી છે. આ દુનિયા પરનું તમારું જીવન એશઆરામ ને ભોગવિલાસથી ભરપૂર છે. તમે પોતાને ક્તલના દિવસને માટે પુષ્ટ કર્યા છે. તમે નિર્દોષ માણસને દોષિત ઠરાવ્યો છે અને મારી નાખ્યો છે અને તેણે તમારો સામનો ય કર્યો નહોતો. મારા ભાઈઓ, પ્રભુના આગમન સુધી ધીરજ રાખો. પોતાના ખેતરમાં મબલક પાક થાય તે માટે ખેડૂત કેવી ધીરજ રાખે છે! ધીરજથી તે પહેલા અને પાછલા વરસાદની રાહ જુએ છે. તમારે પણ ધીરજ રાખવી જોઈએ. પ્રભુના આગમનનો દિવસ નજીક છે, તેથી તમે ઉચ્ચ આશા રાખો. મારા ભાઈઓ, એકબીજાની વિરુદ્ધ ફરિયાદ ન કરો, જેથી પ્રભુ તમારો ન્યાય કરે નહિ. ન્યાયાધીશ ન્યાય કરવાને આવી પહોંચ્યો છે. મારા ભાઈઓ, પ્રભુને નામે બોલનાર સંદેશવાહકોને યાદ કરો. ધીરજથી દુ:ખો સહન કરવાનો તેમનો નમૂનો લો. આપણે તેમને ધન્ય કહીએ છીએ, કારણ, તેમણે સહન કર્યું હતું. તમે યોબની ધીરજ વિષે સાંભળ્યું છે અને અંતમાં પ્રભુએ પોતાનો ઇરાદો કેવી રીતે પૂર્ણ કર્યો તે તમે જાણો છો. કારણ, પ્રભુ દયા અને કરુણાથી ભરપૂર છે. મારા ભાઈઓ, વિશેષે કરીને તમે વચન આપો ત્યારે સોગંદ ખાશો નહિ. આકાશના, પૃથ્વીના કે બીજા કોઈના સોગંદ ખાવા નહિ. જ્યારે તમારે “હા” કહેવું છે ત્યારે “હા” જ કહો અને જ્યારે “ના” પાડવી છે ત્યારે “ના” જ કહો; એ માટે કે તમને દોષિત ઠરાવવામાં ન આવે. તમારામાં શું કોઈ દુ:ખી છે? તો તેણે પ્રાર્થના કરવી જોઈએ. શું કોઈ સુખી છે? તો તેણે સ્તુતિનાં ગીત ગાવાં જોઈએ. તમારામાં શું કોઈ બીમાર છે? તો તેણે મંડળીના આગેવાનોને બોલાવવા જોઈએ. તેઓ પ્રભુને નામે તેના માથા પર તેલ ચોળીને પ્રાર્થના કરે. વિશ્વાસથી કરેલી પ્રાર્થના બીમારને સાજો કરશે. પ્રભુ તેને તંદુરસ્તી પાછી આપશે અને તેનાં પાપની ક્ષમા આપશે. આથી તમારાં પાપ એકબીજા આગળ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો, જેથી તમને સાજા કરવામાં આવે. ન્યાયી માણસની આગ્રહી પ્રાર્થનાની ભારે અસર થાય છે. એલિયા પણ આપણા જેવો જ માણસ હતો. પણ તેણે વરસાદ વરસે નહિ તેવી પ્રાર્થના આગ્રહપૂર્વક કરી અને સાડાત્રણ વર્ષ સુધી વરસાદ પડયો નહિ. તેણે ફરીવાર પ્રાર્થના કરી અને વરસાદ તૂટી પડયો અને ધરતીએ પાક નિપજાવ્યો. મારા ભાઈઓ, જો તમારામાંથી કોઈ સત્યથી દૂર જાય અને કોઈ તેને પાછો લાવે તો આટલું યાદ રાખો: પાપીને ખોટા માર્ગમાંથી પાછો વાળનાર તેના આત્માને મરણથી બચાવે છે અને ઘણાં પાપની ક્ષમા મેળવે છે. ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પિતર તરફથી પંતસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા અને બિથુનિયાના પ્રદેશમાં વેરવિખેર થઈ પરદેશી તરીકે રહેનારા ઈશ્વરના લોકને શુભેચ્છા. ઈસુ ખ્રિસ્તને આધીન થવા અને તેમના રક્તની મારફતે શુદ્ધ થવા માટે તમને ઈશ્વરપિતાના ઇરાદા પ્રમાણે પસંદ કરવામાં આવ્યા અને તેમના પવિત્ર આત્માની મારફતે પવિત્ર લોક બનાવવામાં આવ્યા. તમારા પર ઈશ્વરની કૃપા અને શાંતિ ભરપૂરપણે રહો! આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરની સ્તુતિ થાઓ! ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરીને તેમણે આપણને તેમની મહાન દયાને લીધે નવું જીવન આપ્યું છે, જેનાથી આપણામાં જીવંત આશા ઉત્પન્‍ન થાય છે. અને ઈશ્વરે પોતાના લોકોને માટે રાખી મૂકેલો વારસો મેળવવાની આપણે અપેક્ષા રાખીએ છીએ. ઈશ્વરે તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂક્યો છે અને તે અવિનાશી, નિર્મળ અને અક્ષય છે. અંતને સમયે પ્રગટ થનાર ઉદ્ધારને માટે તમને વિશ્વાસ કરવા દ્વારા ઈશ્વરના સામર્થ્યથી સલામત રાખવામાં આવ્યા છે. તમને પડતી ઘણા પ્રકારની ક્સોટીઓથી તમે દુ:ખી છો તેમ છતાં તમે તે માટે આનંદ કરો. આ દુ:ખો તો તમારો વિશ્વાસ સાચો છે કે નહિ તેની પારખને માટે છે. નાશવંત સોનાની ક્સોટી અગ્નિથી થાય છે. પણ તમારો વિશ્વાસ તો સોના કરતાં વધુ મૂલ્યવાન છે અને તે ટકી રહે તે માટે તેની પણ પરીક્ષા થવી જોઈએ. જ્યારે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાનો દિવસ આવશે ત્યારે તમને સ્તુતિ, મહિમા અને માન મળશે. તમે તેમને જોયા વિના તેમના પર પ્રેમ કરો છો. જો કે અત્યારે તમે તેમને જોતા નથી તો પણ તમે તેમના પર વિશ્વાસ મૂકો છો અને અવર્ણનીય એવા મહાન અને મહિમાવંત આનંદથી ઉલ્લાસી થાઓ છો; કારણ, તેથી તમે તમારા વિશ્વાસનું પરિણામ એટલે, તમારા આત્માઓનો ઉદ્ધાર પ્રાપ્ત કરો છો. એ જ ઉદ્ધારને માટે ઈશ્વરના સંદેશવાહકોએ ખંતથી શોધ અને તપાસ કરી હતી અને ઈશ્વર તમને આ બક્ષિસ આપશે તે વિષે ભવિષ્યકથન કહ્યું હતું. તે ઉદ્ધાર કયે સમયે અને કેવી રીતે આવશે તે શોધવા તેમણે પ્રયત્ન કર્યો હતો. ખ્રિસ્તે સહન કરવાનાં દુ:ખો વિષે અને તે પછી તેમને મળનાર મહિમા વિષે પવિત્ર આત્માએ ભવિષ્યકથન કર્યું ત્યારે તેમનામાં વસતા ખ્રિસ્તના આત્માએ તેમને તેમનો સમય જણાવ્યો હતો. આ સંદેશવાહકો એ બાબતો વિષે બોલ્યા ત્યારે તેમનું એ કાર્ય તેમના પોતાના નહિ, પણ તમારા લાભ માટે હતું એવું ઈશ્વરે તેમને જણાવ્યું હતું. આકાશમાંથી મોકલાયેલા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા શુભસંદેશના સંદેશકો પાસેથી તમે હાલ એ જ બાબતો વિષે સાંભળ્યું છે. દૂતો પણ એ બાબતો સમજવાની ઝંખના રાખે છે. તેથી તમારાં મનમાં સજ્જ થઈને જાગૃત રહો, અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાના સમયે મળનાર આશિષો પર સંપૂર્ણ આશા રાખો. ઈશ્વરને આધીન થાઓ અને તમે અજ્ઞાન હતા તે સમયની દુર્વાસનાઓ પ્રમાણે તમારા જીવનનું ઘડતર થવા ન દો. એને બદલે, તમે સર્વ કાર્યમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરના જેવા પવિત્ર બનો. શાસ્ત્રમાં લખ્યું છે, “હું પવિત્ર છું, માટે તમારે પવિત્ર બનવું જોઈએ.” તમે ઈશ્વરને પિતા તરીકે સંબોધીને પ્રાર્થના કરો છો. તે બધા માણસોનો ન્યાય સમાન ધોરણે, દરેકનાં કાર્યો પ્રમાણે કરશે. આથી પૃથ્વી પરનું તમારું બાકીનું જીવન ઈશ્વરનો ડર રાખીને જીવો. તમારા પૂર્વજો પાસેથી ઊતરી આવેલી નિરર્થક પ્રણાલિકાઓમાંથી તમને મુક્ત કરવા માટે ચૂકવવામાં આવેલી કિંમતની તો તમને ખબર છે. એટલે કે, નાશવંત સોનારૂપાથી નહિ, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક અને નિર્દોષ હલવાન જેવા હતા તેમના અમૂલ્ય રક્ત વડે તમને મુક્ત કરવામાં આવ્યા છે. ઈશ્વરે સૃષ્ટિના સર્જન અગાઉ ઈસુને પસંદ કર્યા હતા અને તેમને તમારે માટે આ છેલ્લા દિવસોમાં પ્રગટ કર્યા છે. ઈસુને મરણમાંથી સજીવન કરનાર અને મહિમા આપનાર ઈશ્વર પર તમે તેમની મારફતે વિશ્વાસ મૂકો છો અને આમ તમારો વિશ્વાસ અને આશા ઈશ્વર પર છે. સત્યને આધીન થઈને તમે પોતાને શુદ્ધ કર્યા છે અને સાથીવિશ્વાસીઓ પર તમે નિખાલસ પ્રેમ રાખી શકો છો અને તેથી એકબીજા પર ખરા દિલથી વિશેષ પ્રેમ રાખજો. વિનાશી નહિ, પણ ઈશ્વરના જીવંત અને સાર્વકાલિક વચનરૂપી બીજ વડે તમને નવો જન્મ આપવામાં આવ્યો છે. શાસ્ત્રમાં લખેલું છે: “બધા માણસો જંગલમાંના ઘાસ જેવા છે, અને તેમનો મહિમા તેના ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદાકાળ ટકી રહે છે.” અને તે જ વચન તમારી પાસે શુભસંદેશની મારફતે આવ્યું છે. તેથી તમે કપટ, ઢોંગ, ઈર્ષા, નિંદા અને સર્વ પ્રકારની ભૂંડાઈથી દૂર રહો. નવા જન્મેલાં બાળકોની જેમ નિર્મળ આત્મિક દૂધ પીવાને સદા તત્પર રહો. જેથી આ ઉદ્ધારમાં તમારી વૃદ્ધિ થાય. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “પ્રભુ દયાળુ છે એવો તમને અનુભવ થયો છે.” માણસોએ નકામો ગણીને નકારી કાઢેલો, પણ ઈશ્વરે મૂલ્યવાન ગણીને પસંદ કરેલ જીવંત પથ્થર, એટલે, પ્રભુની પાસે આવો. આત્મિક મંદિર બાંધવામાં તમારો જીવંત પથ્થરો તરીકે ઉપયોગ થવા દો. ત્યાં તમે પવિત્ર યજ્ઞકારો તરીકે ઈસુ ખ્રિસ્તની મારફતે આત્મિક અને ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાનો ચઢાવશો. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “મેં મૂલ્યવાન પથ્થરને પસંદ કર્યો હતો અને હવે હું તેને આધારશિલા તરીકે સિયોનમાં મૂકું છું; જે કોઈ તેનામાં વિશ્વાસ મૂકશે તે કદી નિરાશ થશે નહિ.” તમ વિશ્વાસ કરનારાઓ માટે આ પથ્થર અતિ મૂલ્યવાન છે, પણ જેઓ વિશ્વાસ કરતા નથી તેમને માટે તો, “બાંધક્મ કરનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો હતો, તે જ સૌથી અગત્યનો પથ્થર બન્યો છે.” વળી, શાસ્ત્રમાં લખેલું બીજું એક વચન કહે છે, “લોકોને ઠોકર ખવડાવનાર પથ્થર એ જ છે, એ જ તેમને ઠેસથી પાડી નાખનાર ખડક છે.” વચન પર વિશ્વાસ નહિ કરવાને કારણે તેમણે ઠોકર ખાધી છે. તેમને માટે ઈશ્વરની એ જ ઇચ્છા હતી. પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજવી યજ્ઞકારો, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરનાં આશ્ર્વર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો. એક સમયે તમને ઈશ્વરની દયાનો અનુભવ થયો ન હતો, પણ હવે તમે તેમની દયા પ્રાપ્ત કરી છે. આ દુનિયામાં પરદેશી અને પ્રવાસી એવા હે પ્રિયજનો, આત્માની વિરુદ્ધ હંમેશાં લડાઈ કરતી તમારી શારીરિક દુર્વાસનાઓને આધીન ન થાઓ એવી મારી વિનંતી છે. વિદેશીઓ તમારા પર દુરાચરણનો ખોટો દોષ મૂક્તા હોય તોયે તેમની વચમાં તમારી વર્તણૂક યથાયોગ્ય રાખો. જેથી પ્રભુ ન્યાય કરવા આવે તે દિવસે તેઓ તમારાં સારાં કાર્યોને લીધે ઈશ્વરની સ્તુતિ કરે. પ્રભુને લીધે દરેક માનવી સત્તાને આધીન રહો. એટલે સર્વસત્તાધીશ રાજાને, અને ભૂંડું કરનારાઓને સજા કરવા તેમજ સારું કરનારાઓની પ્રશંસા કરવા ઈશ્વર તરફથી નિમાયેલા રાજ્યપાલોને આધીન રહો. કારણ, તમારાં સારાં કાર્યોની મારફતે મૂર્ખ માણસોની અજ્ઞાનભરી વાતો તમે બંધ પાડો એવી ઈશ્વરની ઇચ્છા છે. તમે સ્વતંત્ર માણસો તરીકે જીવન જીવો. પણ કોઈપણ દુષ્ટ કાર્યને ઢાંકવા માટે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ન કરો, પણ ઈશ્વરના ગુલામો તરીકે જીવો. સર્વ માણસોને માન આપો. તમારા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખો. ઈશ્વરનો ડર રાખો અને રાજાને માન આપો. ગુલામોએ પોતાના માલિકોને આધીન રહેવું જોઈએ; માત્ર માયાળુ અને ભલા જ નહિ, પણ કડક માલિકોને પણ તમારે સંપૂર્ણ માન આપવું જોઈએ. ઈશ્વરની ઇચ્છા જાણીને જો તમે વગર વાંકે દુ:ખ સહન કરો છો તો તે માટે ઈશ્વર તમને આશિષ આપશે. કંઈ ખોટું કરવાને લીધે જો તમને માર પડે તો તે સહન કરવામાં પ્રશંસાપાત્ર કશું જ નથી. પણ સારું કરવાને લીધે તમે દુ:ખ સહન કરો તો ઈશ્વર તમારા પર પ્રસન્‍ન થશે. દુ:ખ સહન કરવાને માટે જ ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું છે. કારણ, તમે ખ્રિસ્તને પગલે ચાલો તે માટે તેમણે દુ:ખ સહન કરીને તમને નમૂનો આપ્યો છે. તેમણે કોઈ પાપ કર્યું ન હતું અને તેમના મુખમાંથી કદી જૂઠ નીકળ્યું નથી. વળી, જ્યારે તેમની નિંદા કરવામાં આવી ત્યારે તેમણે સામી નિંદા કરી નહિ અને દુ:ખ સહન કરતી વેળાએ તેમણે ધમકી આપી નહિ. પણ પોતાની આશા અદલ ન્યાયાધીશ ઈશ્વર પર રાખી. ખ્રિસ્તે ક્રૂસ પર પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપ વિષે મરણ પામીએ અને ઈશ્વરની દૃષ્ટિએ સદાચારી જીવન ગાળીએ. તેમને પડેલા ઘા દ્વારા તમને સાજા કરવામાં આવ્યા છે. તમે તો માર્ગ ભૂલેલાં ઘેટાંના જેવા હતા. પણ હવે તમે તમારા આત્માના ઘેટાંપાળક અને રક્ષકની પાસે પાછા વળ્યા છો. એ જ પ્રમાણે પત્નીઓ, તમારે તમારા પતિઓને આધીન રહેવું જોઈએ. તેથી જો કોઈ પતિ ઈશ્વરનો સંદેશ માનનાર ન હોય તોપણ એકપણ શબ્દ કહ્યા વગર તમારા શુદ્ધ અને આદરયુક્ત વર્તનથી તેમને વિશ્વાસને માટે જીતી શકાશે. પોતાને સુંદર દેખાડવા બાહ્ય અલંકારોનો ઉપયોગ ન કરો, એટલે કે ગૂંથેલી વેણી, સોનાનાં ઘરેણાં કે જાતજાતનાં વસ્ત્રોથી પોતાને ન શણગારો. એને બદલે, તમારું સૌંદર્ય આંતરિક વ્યક્તિત્વનું હોવું જોઈએ. સૌમ્ય અને શાંત સ્વભાવનું સૌંદર્ય જ ઈશ્વરની દૃષ્ટિમાં મૂલ્યવાન છે અને સદા ટકી રહે છે. કારણ, ઈશ્વરમાં આશા ધરાવનાર ભૂતકાળની ભક્તિભાવી સ્ત્રીઓ પોતાના પતિને આધીન રહીને એ જ પ્રમાણે પોતાને શણગારતી હતી. સારા એવી સ્ત્રી હતી; તે અબ્રાહામને આધીન રહેતી અને તેને સ્વામી તરીકે સંબોધતી. જો તમે સારું જ કરો અને કશાની બીક ન રાખો તો તમે સારાની પુત્રીઓ છો. એ જ પ્રમાણે પતિઓ, પત્ની નિર્બળ પાત્ર છે, તેથી તેમની સાથે સમજદારીપૂર્વક રહો. તમારે તેમના પ્રત્યે માનભર્યો વર્તાવ રાખવો જોઈએ. કારણ, તમે અને તેઓ ઈશ્વર પાસેથી બક્ષિસમાં મળતા જીવનના સહભાગી છો. તમારી પ્રાર્થનાઓમાં કંઈ અવરોધ આવે નહિ માટે તે પ્રમાણે કરો. છેવટે, તમે સૌ ઐક્ય અને સહાનુભૂતિ કેળવો. એકબીજા પર ભાઈઓના જેવો પ્રેમ કરો અને એકબીજા પ્રત્યે મયાળુ અને નમ્ર થાઓ. ભૂંડાને બદલે પાછું ભૂંડું ન વાળો અથવા શાપને બદલે શાપ ન આપો. એને બદલે આશિષ આપો. કારણ, ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમને આશિષ આપવાનું વચન આપ્યું હતું. શાસ્ત્રમાં લખેલું છે, “જો કોઈએ જીવનમાં સુખી થવું હોય અને સારા દિવસો જોવા હોય, તો તેણે ભૂંડું બોલવાથી દૂર રહેવું અને જૂઠું બોલવું નહિ; તેણે ભૂંડાઈથી વિમુખ થવું અને ભલું કરવું, તેણે શાંતિ શોધવી અને ખંતથી તેનો પીછો કરવો. કારણ, ઈશ્વરની નજર તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિઓ પર છે અને તેમના કાન તેમની પ્રાર્થનાઓ સાંભળે છે; પણ તે દુષ્ટોની વિરુદ્ધ છે. જો તમે સારું કરવાની ઇચ્છા રાખો તો તમને કોણ નુક્સાન પહોંચાડી શકે? અલબત્ત, સારું કરવાને લીધે તમારે દુ:ખ સહન કરવું પડે તો તમને ધન્ય છે. માણસોની બીક રાખશો નહિ કે ચિંતા કરશો નહિ. પણ તમારાં હૃદયોમાં ખ્રિસ્તને માન આપો. અને તેમને પ્રભુ તરીકે સ્વીકારો. તમારી પાસે જે આશા છે તે વિષે તમને કોઈ પ્રશ્ર્ન પૂછે તો નમ્રતાથી અને આદરભાવથી તેનો જવાબ આપવાને હંમેશાં તૈયાર રહો. તમારી પ્રેરકબુદ્ધિ શુદ્ધ રાખો, જેથી તમારી નિંદા થાય અને ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે તમારી સારી વર્તણૂક વિષે ભૂંડું બોલાય ત્યારે તેવું બોલનારા શરમાઈ જાય. કારણ, ઈશ્વરની ઇચ્છા હોય તો ભૂંડુ કરવાને લીધે નહિ પણ ભલું કરવાને લીધે દુ:ખ સહન કરવું તે વધારે સારું છે. તમને ઈશ્વરની પાસે લઈ જવાને માટે ખરાબ માણસોને બદલે સારા માણસે એટલે ખ્રિસ્તે પોતે તમારાં પાપોને માટે એકવાર મરણ સહન કર્યું. જો કે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ આત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા. તેમણે તેમના આત્મિક અસ્તિત્વમાં કેદખાનામાં પુરાયેલા આત્માઓ પાસે જઈને તેમને ઉપદેશ કર્યો. નૂહ વહાણ બનાવતો હતો ત્યારે જેમને માટે ઈશ્વરે ધીરજથી રાહ જોઈ અને જેઓ તેમને આધીન થયા નહોતા એવા લોકોના એ આત્માઓ હતા. વહાણમાંથી બહુ ઓછા, એટલે બધા મળીને આઠ માણસો પાણીથી બચી ગયાં. તે તો બાપ્તિસ્માના પ્રતીકરૂપ હતું, જે હાલ તમને બચાવે છે. એમાં શારીરિક મલિનતાથી સ્વચ્છ થવાની વાત નથી, પણ શુદ્ધ પ્રેરકબુદ્ધિની મારફતે ઈશ્વરને આપવામાં આવેલા વચનની વાત છે. તે ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની મારફતે તમને બચાવે છે. તે સ્વર્ગમાં જઈને ઈશ્વરની જમણી તરફ બેઠેલા છે અને સર્વ દૂતો, સ્વર્ગીય સત્તાઓ અને અધિકારો ઉપર રાજ ચલાવે છે. ખ્રિસ્તે શારીરિક દુ:ખ સહન કર્યું હોવાથી તમારે પણ તેવી જ મનોવૃત્તિથી સજ્જ થવું જોઈએ. કારણ, શારીરિક રીતે સહન કરનાર પાપથી મુક્ત થયો છે. હવેથી પૃથ્વી પરનું તમારું બાકી રહેલું જીવન દૈહિક ઇચ્છાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છાના નિયંત્રણ નીચે ગાળવું જોઈએ. વિધર્મીઓ જેમાં આનંદ માને છે તેવાં કાર્યો કરવામાં તમે ભૂતકાળમાં ગુમાવેલો સમય પૂરતો છે. તે વખતે તમે તમારાં જીવનો વ્યભિચારમાં, વિષય વાસનામાં, મદ્યપાનમાં, ભોગવિલાસમાં અને ઘૃણાપાત્ર મૂર્તિપૂજામાં વિતાવ્યાં હતાં. પણ હવે તમે વિધર્મીઓની સાથે ભોગવિલાસી જીવનમાં સામેલ થતા નથી ત્યારે તેઓ આશ્ર્વર્ય પામીને તમારી ટીકા કરે છે. પણ તેમણે જીવતાં તથા મરેલાંઓનો ન્યાય કરનાર ઈશ્વરને જવાબ આપવો પડશે. સૌની જેમ મરેલાંઓ પણ શારીરિક મૃત્યુની સજા તો પામ્યા; પણ તેઓ ઈશ્વરની જેમ આત્મામાં જીવે એ જ હેતુસર મરેલાંઓને પણ શુભસંદેશ પ્રગટ કરાયો હતો. સર્વનો અંત પાસે આવી પહોંચ્યો છે. તેથી તમે પ્રાર્થના કરી શકો તે માટે તમારે સંયમી અને જાગૃત બનવું જોઈએ. એ સર્વ ઉપરાંત એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો. કારણ, પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે. બડબડાટ કર્યા વગર એકબીજાને માટે તમારાં ઘરો ખુલ્લાં મૂકો. સારા વહીવટ કરનાર તરીકે દરેકે પોતાને ઈશ્વર પાસેથી મળેલી ખાસ બક્ષિસનો ઉપયોગ બીજાઓના ભલાને માટે કરવો જોઈએ. સંદેશો આપનારે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવો અને સેવા કરનારે ઈશ્વરે આપેલી શક્તિ પ્રમાણે સેવા કરવી; જેથી બધી બાબતોમાં ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરની સ્તુતિ થાય. સદાસર્વકાળ મહિમા અને પરાક્રમ તેમનાં હો. આમીન પ્રિયજનો, તમારા પર દુ:ખદાયક ક્સોટીઓ આવી પડે ત્યારે કંઈક અસામાન્ય બની રહ્યું હોય તેમ આશ્ર્વર્ય પામશો નહિ. તેને બદલે, તમે ખ્રિસ્તનાં દુ:ખોના ભાગીદાર બન્યા છો તેથી આનંદ કરો; જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમને પુષ્કળ આનંદ મળે. ખ્રિસ્તના અનુયાયી હોવાને લીધે તમારું અપમાન થાય તો તમને ધન્ય છે. એનો અર્થ એ છે કે, ઈશ્વરનો મહિમાવંત પવિત્ર આત્મા તમારા પર છે. ખૂની, ચોર, ગુનેગાર અથવા બીજાઓના ધંધામાં દખલગીરી કરનાર તરીકે તમારામાંના કોઈને સજા થવી જોઈએ નહિ. પણ ખ્રિસ્તી હોવાને લીધે તમે સહન કરતા હો તો શરમાશો નહિ, પણ તમે ખ્રિસ્તનું નામ ધારણ કર્યું છે માટે ઈશ્વરનો આભાર માનો. ન્યાયશાસનનો સમય આવી પહોંચ્યો છે અને ઈશ્વર પ્રથમ પોતાના લોકોનો જ ન્યાય કરશે. જો તેની શરૂઆત આપણાથી થાય તો પછી જેઓ ઈશ્વરના શુભસંદેશ પર વિશ્વાસ કરતા નથી તેમની અંતે કેવી દુર્દશા થશે? શાસ્ત્રમાં લખેલું છે: “જો સારા માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે તો પછી નાસ્તિકો અને પાપીઓનું શું થશે?” તેથી, ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સહન કરનારાઓએ તેમનાં સારાં કાર્યોથી પોતાનું વચન હંમેશાં પાળનાર તેમના ઉત્પન્‍નર્ક્તા પર પૂરેપૂરો ભરોસો રાખવો જોઈએ. મંડળીના આગેવાનોને સાથી આગેવાન તરીકે હું વિનંતી કરું છું. હું ખ્રિસ્તના દુ:ખોને નજરોનજર જોનાર સાક્ષી છું અને પ્રગટ થનાર મહિમામાં મને ભાગ મળનાર છે. મારી વિનંતી છે કે ઈશ્વરે તમને સોંપેલા ટોળાના ઘેટાંપાળક બનો અને ફરજ પડયાથી નહિ, પણ રાજીખુશીથી ઈશ્વરની ઇચ્છા મુજબ તેની સંભાળ રાખો. માત્ર સ્વાર્થ માટે નહિ, પણ સેવા કરવાની સાચી ભાવનાથી તમારું કાર્ય કરો. તમારા હાથ નીચે જેમને મૂકવામાં આવ્યા હોય તેમની ઉપર સત્તા ન જમાવો, પણ ટોળાને નમૂનારૂપ બનો. મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે કદી કરમાઈ ન જાય તેવો મહિમાનો મુગટ તે તમને આપશે. તે જ પ્રમાણે, તમારા યુવાનોએ આગેવાનોને આધીન રહેવું. તમે એકબીજાની સેવા કરી શકો માટે તમારે બધાએ નમ્રતા ધારણ કરવી. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વર અભિમાનીનો તિરસ્કાર કરે છે પણ નમ્રને કૃપા આપે છે.” તમે પોતાને ઈશ્વરના બળવાન હાથ નીચે નમ્ર કરો જેથી યોગ્ય સમયે તે તમને ઉચ્ચ પદવીએ મૂકે. તે તમારી સંભાળ રાખે છે માટે તમારી બધી ચિંતા તેમને સોંપી દો. જાગૃત થાઓ, સાવધ રહો, તમારો દુશ્મન શેતાન, ગર્જના કરતા સિંહની માફક જે કોઈ મળે તેને ફાડી ખાવાને શોધતો ફરે છે. તમારા વિશ્વાસમાં અડગ રહો અને શેતાનનો સામનો કરો, કારણ, સમગ્ર દુનિયામાં તમારા સાથી વિશ્વાસીઓ પણ એવા જ પ્રકારનાં દુ:ખોમાંથી પસાર થઈ રહ્યા છે તેની તમને ખબર છે. ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી થોડીવાર સુધી સહન કર્યા પછી તમને પોતાના સાર્વકાલિક મહિમાના ભાગીદાર થવાને બોલાવનાર સર્વ કૃપાના દાતા ઈશ્વર પોતે તમને સંપૂર્ણ કરશે અને તમને સ્થિર, બળવાન અને મજબૂત કરશે. તેમને સર્વકાળ સત્તા હોજો. આમીન. સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ ગણું છું તેની મદદથી આ ટૂંકો પત્ર હું તમને પાઠવું છું. હું તમને પ્રોત્સાહન આપવા માગું છું અને આ જ ઈશ્વરની સાચી કૃપા છે એવી મારી સાક્ષી આપવા માગું છું. તેમાં તમે અડગ રહો. બેબિલોનમાંની ઈશ્વરથી પસંદ કરાયેલી તમારી સાથી મંડળી, તમને શુભેચ્છા પાઠવે છે. મારો પુત્ર માર્ક પણ તમને શુભેચ્છા પાઠવે છે. ખ્રિસ્તી પ્રતીકરૂપ ચુંબનથી એકબીજાને શુભેચ્છા પાઠવશો. તમે જેઓ ખ્રિસ્ત ઈસુના છો તેઓ સર્વને શાંતિ હો. આપણા ઈશ્વરપિતા અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની ન્યાયયુક્તતાને લીધે અમે ધરાવીએ છીએ તેવો મૂલ્યવાન વિશ્વાસ જેમને આપવામાં આવ્યો છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને પ્રેષિત સિમોન પિતર તરફથી શુભેચ્છા. પ્રભુ ઈસુને અને ઈશ્વરને તમે ઓળખતા થયા છો તેથી તમને ભરપૂરપણે કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ. ઈશ્વરે આપણને પોતાના મહિમા અને ભલાઈના ભાગીદાર થવાને આમંત્રણ આપ્યું. તેમના દૈવી જ્ઞાનની મારફતે ભક્તિમય જીવન જીવવા માટે આપણી બધી જરૂરિયાત ઈશ્વરના દૈવી સામર્થ્યથી મળી છે. એ રીતે તેમણે આપેલા વચન પ્રમાણે તેમણે આપણને મહાન અને મૂલ્યવાન બક્ષિસો આપી છે; જેથી એ બક્ષિસોની મારફતે તમે આ દુનિયાની વિનાશકારી વાસનાઓથી બચી જાઓ અને તેમના દૈવી સ્વભાવના ભાગીદાર થાઓ. એ જ કારણને લીધે તમારા વિશ્વાસની સાથે ભલાઈ, ભલાઈની સાથે જ્ઞાન, જ્ઞાનની સાથે સંયમ, સંયમની સાથે સહનશક્તિ, સહનશક્તિની સાથે ભક્તિભાવ, ભક્તિભાવની સાથે બધુંપ્રેમ, અને બધુંપ્રેમની સાથે પ્રેમ જોડી દો. તમારે એ જ સદ્ગુણોની જરૂર છે. જો તમારી પાસે તે ભરપૂરપણે હશે તો પછી તેઓ તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં કાર્યશીલ અને અસરકારક બનાવશે. પણ જેની પાસે તે નથી તે ટૂંકી દૃષ્ટિનો છે અને તેથી તેને કશું દેખાતું નથી તથા તે તેના ભૂતકાળનાં પાપોથી શુદ્ધ થયો હતો તે પણ તે ભૂલી ગયો છે. તેથી મારા ભાઈઓ, ઈશ્વરે તમને સાચેસાચ આમંત્રણ આપ્યું છે અને પસંદ કર્યા છે એવું દર્શાવવા તમારાથી બનતા બધા પ્રયત્ન કરો. જો તમે આમ કરશો તો તમારું કદી પતન થશે નહિ. આ રીતે આપણા પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તના સાર્વકાલિક રાજ્યમાં પ્રવેશ પામવાને તમે પૂરા હક્કદાર બનશો. એ જ કારણથી તમને એ વાતોની ખબર છે અને તમને પ્રાપ્ત થયેલા સત્યમાં તમે દૃઢ છો, તેમ છતાં હું તમને તેની હંમેશાં યાદ અપાવું છું. હું જીવું ત્યાં સુધી આ બાબતોની યાદ તાજી કરાવવી મને યોગ્ય લાગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું તે પ્રમાણે હું જાણું છું કે ટૂંક સમયમાં જ હું આ વિનાશી શરીર છોડી જવાનો છું. આથી મારા મરણ પછી પણ આ બધી બાબતો તમે યાદ રાખો તે માટે હું મારાથી બનતું બધું કરું છું. અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી આગમન વિષે જણાવવાને ઉપજાવી કાઢેલી બનાવટી કથાઓ પર આધાર રાખ્યો નથી. અમે તો અમારી પોતાની આંખે જ તેમનો મહિમા નિહાળ્યો હતો. ઈશ્વરપિતા તરફથી તેમને માન અને મહિમા આપવામાં આવ્યાં અને સર્વોચ્ચ મહિમામાંથી, “આ મારો પ્રિય પુત્ર છે; તેના પર હું પ્રસન્‍ન છું,” એવી વાણી સંભળાઈ, ત્યારે અમે ત્યાં હતા. અમે તેમની સાથે પવિત્ર પર્વત પર હતા ત્યારે આકાશમાંથી આવતો એ અવાજ અમે જાતે સાંભળ્યો હતો. તેથી સંદેશવાહકોએ પ્રગટ કરેલા સંદેશા પર અમે વિશેષ ભરોસો રાખીએ છીએ. તમે પણ તે સંદેશા પર ધ્યાન આપો તો સારું, કારણ, સવાર થતાં સુધી અને પ્રભાતના તારાનો પ્રકાશ તમારા હૃદયમાં પ્રકાશે ત્યાં સુધી એ સંદેશો અંધકારમાં પ્રકાશતા દીવાના જેવો છે. તમારે સૌ પ્રથમ આ વાત સમજવાની છે કે કોઈપણ વ્યક્તિ શાસ્ત્રનાં ભવિષ્યકથનો પોતાની આગવી રીતે સમજી શકે નહિ. કારણ, કોઈ પણ ભવિષ્યકથન માનવી ઇચ્છા પ્રમાણે આવ્યું નથી; પણ ઈશ્વરના પવિત્ર સંદેશવાહકો પવિત્ર આત્માની પ્રેરણાથી એ બોલ્યા હતા. ભૂતકાળમાં લોકો મયે જૂઠા સંદેશવાહકો ઊભા થયા હતા, અને તમારી મયે પણ તે જ પ્રમાણે જૂઠા શિક્ષકો ઊભા થશે. તેઓ વિનાશકારક જૂઠા સિદ્ધાંતો શીખવશે, તેમનો ઉદ્ધાર કરનાર પ્રભુનો નકાર કરશે અને પોતા પર અચાનક વિનાશ વહોરી લેશે. તેમના અનૈતિક માર્ગે ઘણા ચાલશે અને તેમનાં કાર્યોને લીધે લોકો સત્યના માર્ગ વિષે ભૂંડું બોલશે. આ જૂઠા શિક્ષકો લોભી છે અને બનાવટી વાતો જણાવીને તમારો લાભ ઉઠાવશે. તેમના ન્યાયાધીશે ઘણા લાંબા સમયથી તેમનો ન્યાય તોળી નાખ્યો છે અને તેમનો નાશ કરનાર સતત જાગ્રત છે. જે દૂતોએ પાપ કર્યું તેમને ઈશ્વરે છોડયા નહિ પણ ન્યાયના દિવસ સુધી તેમને અંધકારમય ખાડામાં સાંકળોથી બાંધી રાખ્યા છે. પ્રાચીન દુનિયાને પણ ઈશ્વરે છોડી નહિ, પણ નાસ્તિક લોકોની દુનિયા પર જળપ્રલય મોકલ્યો. ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં કેવી રીતે આવી શકાય તેનો ઉપદેશ કરનાર નૂહ અને તેની સાથે બીજા સાત માણસોને તેમણે બચાવ્યાં. ઈશ્વરે સદોમ ને ગમોરા શહેરને દોષિત ઠરાવીને તેમનો અગ્નિથી નાશ કર્યો અને નાસ્તિકોની કેવી દશા થશે તેના ઉદાહરણરૂપ તેમને બનાવ્યાં. લોત સારો માણસ હતો; છતાં દુષ્ટ માણસોએ તેમના દુરાચારથી તેને હેરાન કર્યો હતો; પણ ઈશ્વરે તેનો બચાવ કર્યો. એ સારો માણસ તેમની મયે વસતો હતો અને દરરોજ એ લોકોના ભૂંડા વર્તનથી તેનું હૃદય દુ:ખી થતું હતું. આમ પોતાના લોકને નાશથી બચાવવા અને દુષ્ટોને અને તેમાં પણ ખાસ કરીને પોતાની શારીરિક વાસનાઓ પ્રમાણે ચાલનાર અને દૈવી સત્તાનો ઇનકાર કરનાર લોકને, ન્યાયના દિવસ સુધી સજાને માટે રાખી મૂકવાનું ઈશ્વર જાણે છે. આ જૂઠા શિક્ષકો સ્વછંદી અને ઉદ્ધત છે તથા દૂતોને માન આપવાને બદલે તેમનું અપમાન કરે છે. પણ દૂતો તો, આ જૂઠા શિક્ષકો કરતાં વિશેષ બળવાન અને પરાક્રમી હોવા છતાં તેઓ પ્રભુની હાજરીમાં અપમાનજનક શબ્દોમાં દોષારોપણ કરતા નથી. આ જૂઠા શિક્ષકો તો સાહજિક વૃત્તિથી પ્રેરાનાર અને શિકારનો ભોગ થઈ પડનાર વન્ય પ્રાણીઓ જેવા છે. જે બાબતો તેઓ સમજતા નથી તેની તેઓ નિંદા કરે છે. જંગલી પ્રાણીઓની માફક તેઓ માર્યા જશે અને બીજાને દુ:ખ દેવા બદલ તેમણે દુ:ખ ભોગવવું પડશે. તેઓ ધોળે દહાડે ભોગવિલાસમાં મગ્ન રહે છે. તમારી સાથે ભોજન લેતી વખતે તેઓ કલંક અને ડાઘરૂપ છે, અને તે સમયે પણ તેઓ ભોગમગ્ન હોય છે. તેમની આંખો વાસનાથી ભરેલી છે, અને પાપ કરતાં ધરાતી નથી. તેઓ નબળા મનના માણસોને સકંજામાં સપડાવે છે. તેમનાં હૃદયો લોભથી રીઢાં થઈ ગયાં છે. તેઓ ઈશ્વરના શાપ નીચે છે. સીધો માર્ગ તજી દઈને તેઓ ખોટે માર્ગે ચઢી ગયા છે. તેઓ બેઓરના પુત્ર બલઆમનો માર્ગ અનુસર્યા છે. બલઆમે તો પાપને લીધે ઠપકો મળ્યો હોવા છતાં ખોટું કરવાથી મળનાર પૈસા પર પ્રેમ રાખ્યો. એક મૂંગા ગધેડાએ માનવીની ભાષા બોલીને એ સંદેશવાહકને તેના મૂર્ખ કૃત્યથી અટકાવ્યો હતો. આ માણસો સુકાઈ ગયેલા ઝરા જેવા, અને પવનથી ઘસડાતાં વાદળ જેવા છે. ઈશ્વરે તેમને માટે ઊંડા પાતાળમાં ઘોર અંધકાર તૈયાર કરેલો છે. ભ્રમણામાં પડેલા માણસોમાંથી નાસી છૂટવાની જેમણે હજી હમણાં જ શરૂઆત કરી છે તેવા લોકોને સપડાવવાને તેઓ શારીરિક દુર્વાસનાઓનો ઉપયોગ કરે છે. તેઓ સ્વતંત્ર બનાવવાનું વચન આપે છે, પણ પોતે ભ્રષ્ટાચારના ગુલામ છે. કારણ, માનવી તેના પર સત્તા જમાવનાર હરેક બાબતનો ગુલામ છે. આપણા પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની ઓળખને લીધે જેઓ આ દુનિયાનાં ભ્રષ્ટાચારી બળોથી નાસી છૂટયા અને ત્યાર પછી ફરી તેમાં ફસાઈને તેમનાથી હારી ગયા તેવા માણસોની અંતની દશા તેમની શરૂઆતની દશા કરતાં વધારે ખરાબ થશે. ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવાનો માર્ગ એકવાર જાણ્યા પછી તેમને આપવામાં આવેલી પવિત્ર આજ્ઞાથી તેઓ ફરી જાય તે કરતાં તેમણે એ માર્ગ કદી જાણ્યો જ ન હોત તો તે તેમને માટે વધુ સારું થાત. તેમની બાબતમાં પેલી કહેવત સાચી પડી કે, કૂતરું પોતાની ઊલટી ખાવા પાછું જાય છે અને ધોઈને સાફ કરેલું ભૂંડ ક્દવમાં આળોટવા માટે પાછું જાય છે. પ્રિયજનો, હવે આ બીજો પત્ર પણ હું તમને લખું છું. આ બંને પત્રોમાં તમને આ બાબતોની યાદ દેવડાવીને મેં તમારા મનમાં શુદ્ધ વિચારો ઉત્પન્‍ન કરવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા સમય પહેલાં પવિત્ર સંદેશવાહકોની મારફતે જે વચનો જણાવવામાં આવ્યાં તે અને તમારા પ્રેષિતોની મારફતે આપવામાં આવેલી આપણા પ્રભુ અને ઉદ્ધારકની આજ્ઞા તમે યાદ કરો એવું હું ચાહું છું. સૌ પ્રથમ તો તમારે જાણવું જોઈએ કે અંતના દિવસોમાં પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા કેટલાક લોકો ઊભા થશે. તેઓ તમારી મજાક ઉડાવશે અને કહેશે, “તેના આગમનના વચનનું શું થયું? અમારા પૂર્વજો ય મરી ગયા તો પણ દુનિયાના સરજન વખતે જેવી પરિસ્થિતિ હતી તેવી ને તેવી જ છે.” તેઓ જાણી જોઈને આ સત્ય ભૂલી જાય છે કે ઘણા સમય પહેલાં ઈશ્વરની આજ્ઞાથી આકાશ અને પૃથ્વીનું સરજન કરવામાં આવ્યું હતું. પૃથ્વી પાણીમાંથી નીકળી આવી હતી અને પાણીમાં ધરી રખાઈ હતી. અને જળપ્રલયના પાણીથી તેનો નાશ કરવામાં આવ્યો હતો. હાલમાં અસ્તિત્વ ધરાવતાં આકાશ અને પૃથ્વીને પણ તેમનો અગ્નિથી નાશ થાય તે માટે એ જ ઈશ્વરની આજ્ઞા વડે નિભાવી રાખવામાં આવ્યાં છે; નાસ્તિકોને પણ તેમનો ન્યાય કરવામાં આવે અને તેમનો નાશ થાય તે દિવસને માટે રાખી મૂકવામાં આવ્યા છે. પણ પ્રિયજનો, આ એક વાત ભૂલી જશો નહિ. પ્રભુની દૃષ્ટિમાં એક દિવસ એક હજાર વર્ષ જેવો છે અને હજાર વર્ષ એક દિવસ જેવાં છે. તેમને મન તો બંને સરખાં છે. કેટલાક માને છે તેમ પ્રભુ પોતે આપેલું વચન પૂર્ણ કરવામાં વિલંબ કરતા નથી. એને બદલે, તે તમારા પ્રત્યે ધીરજ રાખે છે. કારણ, કોઈનો ય નાશ થાય એવું તે ઇચ્છતા નથી, પણ બધા પોતાનાં પાપથી પાછાં ફરે એવું તે ઇચ્છે છે. પ્રભુના આગમનનો દિવસ તો ચોરની જેમ આવશે. તે દિવસે આકાશ મોટા કડાકા સાથે અદૃશ્ય થઈ જશે અને આકાશી મંડળો અગ્નિમાં બળી જશે અને પૃથ્વીનું સર્વસ્વ બળીને ખાખ થઈ જશે. આ રીતે આ બધી વસ્તુઓનો નાશ થવાનો હોવાથી તમારાં જીવનો કેવાં પવિત્ર અને ઈશ્વરને અર્પિત હોવાં જોઈએ? કારણ, એ રીતે ઈશ્વરના એ દિવસની રાહ જોતાં તમે એ જલદી આવે તેમ કરો છો. એ દિવસે આકાશ અગ્નિથી બળીને અદૃશ્ય થઈ જશે અને આકાશી મંડળો ગરમીથી પીગળી જશે. છતાં આપણે તો ઈશ્વરે આપેલા વચન પ્રમાણે નવું આકાશ અને જેમાં ન્યાયીપણાનો વાસ છે તે નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ. તેથી પ્રિયજનો, એ દિવસની રાહ જોતાં ઈશ્વરની દૃષ્ટિમાં શુદ્ધ અને કલંકરહિત થવાને તમારાથી બનતું બધું કરો અને તેમની સાથે શાંતિમાં રહો. આપણા પ્રભુની ધીરજને ઉદ્ધારની તક માનો. આપણા પ્રિય ભાઈ પાઉલે પણ તેને મળેલા ઈશ્વરના જ્ઞાનનો ઉપયોગ કરીને એવું જ લખ્યું છે. આ વિષયની છણાવટ કરતા બધા પત્રોમાં તેણે એ જ કહેલું છે. તેના પત્રોમાં કેટલીક બાબતો એવી છે કે જે સમજવી મુશ્કેલ છે અને અજ્ઞાન અને અસ્થિર માણસો, શાસ્ત્રના બીજા પાઠો વિષે કરે છે તેમ તેમનો પણ મારીમચડીને ખોટો અર્થ કરે છે અને એમ પોતાનો વિનાશ વહોરી લે છે. પ્રિયજનો, તમને આ બધી ખબર છે તેથી સાવધ રહો, જેથી તમે નીતિભ્રષ્ટ લોકોની ભૂલથી ભરમાઈ ન જાઓ અને તમારી સલામત સ્થિતિથી દૂર ચાલ્યા ન જાઓ. પણ તમે આપણા પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં કૃપા અને જ્ઞાનમાં સતત વૃદ્ધિ પામતા જાઓ. હમણાં અને સદાસર્વકાળ તેમનો જ મહિમા થાઓ. આમીન. અમે તમારા પર જીવનના શબ્દ વિષે લખીએ છીએ. તેનું અસ્તિત્વ શરૂઆતથી જ હતું. અમે તેને વિષે સાંભળ્યું છે અને અમારી પોતાની આંખે તે જોયું છે. અમે તે જોયું છે અને અમારા હાથે તેનો સ્પર્શ કરેલો છે. આ જીવન દૃશ્યમાન થયું ત્યારે અમે તેને જોયું; તેથી અમે તેને વિષે સાક્ષી પૂરીએ છીએ. ઈશ્વરપિતા સાથે જે સાર્વકાલિક જીવન હતું અને જે અમને જણાવવામાં આવ્યું તે વિષે અમે તમને કહીએ છીએ. અમે જે સાંભળ્યું અને જોયું તે જ અમે તમને જણાવીએ છીએ, જેથી ઈશ્વરપિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે અમારી જે સંગત છે તેમાં તમે પણ સામેલ થાઓ. અમારો આનંદ સંપૂર્ણ થાય તે માટે જ અમે આ લખીએ છીએ. ઈશ્વરના પુત્ર મારફતે અમે જે સંદેશો સાંભળ્યો અને જે અમે તમને જાહેર કરીએ છીએ તે આ છે: ઈશ્વર પ્રકાશ છે અને તેમનામાં અંધકાર છે જ નહિ. તેથી જો આપણે કહીએ કે આપણે તેમની સાથે સંગત ધરાવીએ છીએ અને તેમ છતાં અંધકારમાં જ જીવતા હોઈએ તો પછી આપણે આપણાં શબ્દો અને કાર્યો દ્વારા જૂઠું બોલીએ છીએ. પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. આપણામાં પાપ નથી એવું જો આપણે કહીએ તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી. પણ જો ઈશ્વર સમક્ષ આપણે આપણાં પાપ કબૂલ કરીએ તો તે આપણાં પાપની ક્ષમા આપશે અને આપણને બધાં દુષ્કર્મોથી શુદ્ધ કરશે, કારણ, તે વિશ્વાસુ તથા ન્યાયી છે. જો આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી તો આપણે ઈશ્વરને જૂઠા ઠરાવીએ છીએ અને આપણે તેમનો સંદેશો આપણા જીવનમાં ઉતાર્યો નથી. મારાં બાળકો, તમે પાપમાં ન પડો માટે તમને હું આ લખું છું. પણ જો કોઈ પાપમાં પડી જાય તો આપણે માટે ઈશ્વરપિતા સમક્ષ આપણી હિમાયત કરનાર છે; એ તો ઈસુ ખ્રિસ્ત છે, જે સાચા અને ઈશ્વરને સ્વીકાર્ય છે. ખ્રિસ્તની મારફતે જ આપણાં પાપની આપણને માફી મળે છે; ફક્ત આપણાં જ નહિ પણ સર્વ માણસોનાં પાપની માફી મળે છે. જો આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ તો આપણે તેમને ઓળખીએ છીએ તે ખાતરીની વાત છે. જો કોઈ કહે, “હું તેમને ઓળખું છું,” પણ તેમની આજ્ઞાઓને આધીન થતો નથી તો એવો માણસ બિલકુલ જૂઠો છે અને તેનામાં સત્ય નથી. પણ જે કોઈ તેમની આજ્ઞાઓ પાળે છે તેનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ સંપૂર્ણ કરવામાં આવેલો છે. આપણે ઈશ્વરની સાથે ચાલીએ છીએ તેની ખાતરી આ રીતે થઈ શકે છે: જે કોઈ કહે છે કે તે ઈશ્વરની સાથે ચાલે છે તેણે ઈસુ ખ્રિસ્ત જેમ જીવ્યા તેમ જીવવું જોઈએ. પ્રિયજનો, હું તમને જે આજ્ઞા લખી જણાવું છું તે નવી નથી, પણ શરૂઆતથી જ તમને આપવામાં આવેલી છે. તમે જે સંદેશો સાંભળ્યો છે તે જ જૂની આજ્ઞા છે. છતાં હું તમને જે આજ્ઞા લખું છું તે નવી છે, અને તેનું સત્ય ખ્રિસ્તમાં અને તમારામાં પ્રગટ થયેલું છે. કારણ, અંધકાર ચાલ્યો જાય છે અને હવે સાચો પ્રકાશ પ્રકાશી રહ્યો છે. પોતે પ્રકાશમાં છે એવું કહેવા છતાં કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તો તે હજી અંધકારમાં જ છે. જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ કરે છે તે પ્રકાશમાં રહે છે અને તેનામાં બીજાને ઠોકર ખાવાનું કારણ નથી. પણ જે કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરે છે તે અંધકારમાં છે; તે અંધકારમાં ચાલે છે અને પોતે ક્યાં જાય છે તેની તેને ખબર નથી. કારણ, અંધકારે તેને આંધળો બનાવી દીધો છે. મારાં બાળકો, હું તમને લખું છું, કારણ, ખ્રિસ્તના નામને લીધે તમારાં પાપની ક્ષમા આપવામાં આવી છે. પિતાઓ, હું તમને લખું છું, કારણ, પ્રારંભથી જ અસ્તિત્વ ધરાવનારને તમે ઓળખો છો. યુવાનો, હું તમને લખું છું, કારણ, તમે દુષ્ટને હરાવ્યો છે. બાળકો, હું તમને લખું છું, કારણ, તમે ઈશ્વરપિતાને ઓળખો છો. પિતાઓ, હું તમને લખું છું, કારણ, પ્રારંભથી અસ્તિત્વ ધરાવનારને તમે ઓળખો છો. યુવાનો, હું તમને લખું છું, કારણ, તમે બળવાન છો, તમારામાં ઈશ્વરનું વચન રહે છે અને તમે દુષ્ટને હરાવ્યો છે. દુનિયા પર અથવા દુનિયાની કોઈ વસ્તુ પર પ્રેમ ન કરો. જો તમે દુનિયા પર પ્રેમ કરો છો તો પછી તમારામાં ઈશ્વરપિતા પ્રત્યેનો પ્રેમ નથી. જે કંઈ દુનિયાનું છે એટલે કે, દેહની વાસના, આંખોની લાલસા, અને જીવનનું મિથ્યાભિમાન, તે ઈશ્વરપિતા પાસેથી આવતું નથી, પણ દુનિયામાંથી જ આવે છે. દુનિયા અને તેની લાલસા તો ચાલ્યાં જવાનાં છે, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્તનાર સર્વકાળ રહે છે. મારાં બાળકો, અંતનો સમય આવી પહોંચ્યો છે. ખ્રિસ્તનો શત્રુ આવશે, એવું તમને જણાવવામાં આવ્યું હતું. અને હાલ ખ્રિસ્તના ઘણા શત્રુ પ્રગટ થયા છે. તેથી આપણને ખબર પડે છે કે અંત આવી પહોંચ્યો છે. આ લોકો ખરેખર આપણા પક્ષના ન હતા અને તેથી જ તેઓ આપણામાંથી ચાલ્યા ગયા. જો તેઓ આપણા પક્ષના હોત તો તેઓ આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ હવે ચાલ્યા ગયા હોવાથી સ્પષ્ટ થાય છે કે તેમનામાંનો કોઈ આપણા પક્ષનો હતો જ નહિ. પણ ખ્રિસ્તની મારફતે રેડી દેવામાં આવેલો પવિત્ર આત્મા તમારી પાસે છે અને તેથી તમને સત્યની ખબર છે. તમે સત્ય જાણતા નથી માટે હું તમને લખું છું એવું નથી. એથી ઊલટું, તમે સત્ય જાણો છો માટે લખું છું. અને તમને એ ખબર છે કે સત્યમાંથી જૂઠ નીકળી શકે જ નહિ. તો હવે જૂઠો કોણ છે? ઈસુ તે ખ્રિસ્ત નથી એવું કહેનાર જ જૂઠો છે. એ જ “ખ્રિસ્તનો શત્રુ” છે. તે ઈશ્વરપિતા અને ઈશ્વરપુત્રનો ઇન્કાર કરે છે. કારણ, જે કોઈ પુત્રનો ઇનકાર કરે છે તે પિતાનો ઇનકાર કરે છે અને જે કોઈ પુત્રનો સ્વીકાર કરે છે તે પિતાનો પણ સ્વીકાર કરે છે. આથી તમે શરૂઆતથી જ સાંભળેલો સંદેશો તમારાં હૃદયોમાં જાળવી રાખો. શરૂઆતથી જ સાંભળેલા સંદેશાનું જો તમે પાલન કરો તો તમે હંમેશાં ઈશ્વરપિતા અને ઈશ્વરપુત્રની સંગતમાં જીવન જીવશો. અને ખ્રિસ્તે પોતે પણ એ જ સાર્વકાલિક જીવન આપવાનું વચન આપેલું છે. તમને જેઓ છેતરવાનો પ્રયત્ન કરે છે તેમને લક્ષમાં રાખીને હું તમને આ લખું છું. પણ તમારા પર તો ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી. કારણ, તેમનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જૂઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાઓ અને ખ્રિસ્તમાં રહો. મારાં બાળકો, તેમનામાં રહો, જેથી તેમના આગમનના દિવસે આપણામાં હિંમત હોય અને તેમની સમક્ષ શરમને કારણે પોતાને સંતાડવાની જરૂર રહે નહિ. ખ્રિસ્ત ન્યાયી છે તે તમે જાણો છો અને તેથી એ પણ જાણો કે ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર વ્યક્તિ ઈશ્વરનું સંતાન છે. જુઓ, ઈશ્વરપિતાએ આપણા પર કેવો મહાન પ્રેમ કર્યો છે! તેમનો પ્રેમ એટલો મહાન છે કે આપણને ઈશ્વરનાં સંતાન તરીકે ઓળખવામાં આવે છે, કારણ, હકીક્તમાં આપણે તેમનાં સંતાન છીએ. આથી દુનિયા આપણને ઓળખતી નથી. કારણ, તે ઈશ્વરને પણ ઓળખતી નથી. પ્રિયજનો, આપણે ઈશ્વરનાં સંતાન છીએ પણ આપણે કેવાં બનીશું તે હજી સ્પષ્ટ નથી. પણ જ્યારે ખ્રિસ્તનું આગમન થશે ત્યારે આપણે તેમના જેવાં બનીશું. કારણ, તે જેવા છે તેવા જ આપણે તેમને જોઈશું. ખ્રિસ્તમાં આવી આશા રાખનાર જેમ ખ્રિસ્ત શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ રાખે છે. જે કોઈ પાપ કરે છે તે ઈશ્વરના નિયમનો ભંગ કરવા સંબંધી દોષિત છે, કારણ, નિયમભંગ તે પાપ છે. તમે જાણો છો કે માનવીનાં પાપ દૂર કરવા માટે ખ્રિસ્ત પ્રગટ થયા હતા અને તેમનામાં કોઈ પાપ નથી. તેથી જે કોઈ ખ્રિસ્તમાં રહે છે તે પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહિ. પણ જે કોઈ પાપમાં રહેવાનું ચાલુ રાખે તેણે ખ્રિસ્તને કદીએ જોયા નથી કે ઓળખ્યા નથી. બાળકો, કોઈ તમને છેતરી જાય નહિ! જેમ ખ્રિસ્ત ન્યાયી છે તેમ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર વ્યક્તિ પણ ન્યાયી છે. જે પાપમાં રહેવાનું ચાલુ રાખે છે તે શેતાનના પક્ષનો છે, કારણ, શેતાન શરૂઆતથી જ પાપ કરતો આવ્યો છે. શેતાનનાં કાર્યોનો નાશ કરવા માટે જ ઈશ્વરપુત્ર પ્રગટ થયા. ઈશ્વરનું સંતાન પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહિ, કારણ, તેની પાસે ઈશ્વરનો સ્વભાવ છે અને ઈશ્વર તેના પિતા હોવાથી તે પાપમાં રહેવાનું ચાલુ રાખી શકે નહિ. ઈશ્વરનાં સંતાનો અને શેતાનનાં સંતાનો વચ્ચે આ તફાવત છે: જે કોઈ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તતો નથી અથવા પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી તે ઈશ્વરનું સંતાન નથી. શરૂઆતથી જ તમે જે સંદેશો સાંભળ્યો છે તે આ છે: આપણે એકબીજા પર પ્રેમ કરવો જોઈએ. આપણે કાઈનના જેવા થવું ન જોઈએ. તે તો દુષ્ટના પક્ષનો હતો અને પોતાના સગા ભાઈનું તેણે ખૂન કર્યું. શા માટે કાઈને તેનું ખૂન કર્યું? કારણ, તેનાં પોતાનાં કાર્યો ભૂંડાં હતાં, જ્યારે તેના ભાઈનાં કાર્યો સારાં હતાં. આથી મારા ભાઈઓ, જો દુનિયાના લોકો તમને ધિક્કારે તો તેથી નવાઈ પામશો નહિ. આપણે આપણા ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ તે પરથી આપણને ખબર છે કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ. જે કોઈ પ્રેમ કરતો નથી તે હજી મરણમાં જ છે. જે કોઈ પોતાના ભાઈનો ધિક્કાર કરે છે તે ખૂની છે અને તમે જાણો છો કે ખૂની પાસે સાર્વકાલિક જીવન હોતું નથી પ્રેમ શું છે તે આપણે આ રીતે જાણી શકીએ છીએ: ખ્રિસ્તે આપણે માટે પોતાનું જીવન અર્પી દીધું. તેથી આપણે પણ આપણા ભાઈઓને માટે આપણું જીવન અર્પી દેવું જોઈએ. જો કોઈ માણસ ધનવાન છે અને તેનો ભાઈ મુશ્કેલીમાં છે તેમ જોવા છતાં પોતાના ભાઈની વિરુદ્ધ પોતાનું હૃદય નિષ્ઠુર બનાવે, તો પછી તેના હૃદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ છે, એમ તે કેવી રીતે કહી શકે? મારાં બાળકો, આપણો પ્રેમ ફક્ત શબ્દોથી કે જીભથી હોવો ન જોઈએ, પણ કૃત્યોમાં દેખાવો જોઈએ અને સાચો હોવો જોઈએ. આપણે સત્યના પક્ષના છીએ તેવું આ રીતે જાણી શકીએ છીએ. આ જ રીતે ઈશ્વરની હાજરીમાં આપણે આપણા હૃદયમાં ખાતરી મેળવી શકીશું. જો આપણું હૃદય આપણને દોષિત ઠરાવે તો આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણાં હૃદય કરતાં મહાન છે અને તે સર્વ જાણે છે. અને તેથી પ્રિયજનો, જો આપણને આપણું હૃદય દોષિત ઠરાવે નહિ તો ઈશ્વરની સમક્ષ જવા માટે આપણને હિંમત છે આપણે તેમની પાસે જે કંઈ માગીએ તે મળે છે, કારણ, આપણે તેમની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અને તેમને પસંદ પડે તે કરીએ છીએ. તેમની આજ્ઞા આ છે: તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર આપણે વિશ્વાસ મૂકીએ અને ખ્રિસ્તે આપેલી આજ્ઞા પ્રમાણે એકબીજા પર પ્રેમ રાખીએ. જે કોઈ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે. ઈશ્વરે આપેલા પવિત્ર આત્મા દ્વારા આપણને ખબર પડે છે કે તે આપણામાં રહે છે. મારા પ્રિયજનો, પોતાની પાસે પવિત્ર આત્મા હોવાનો દાવો કરનાર બધા માણસો પર વિશ્વાસ ન કરો, પણ તેમની પાસે આવેલો આત્મા ઈશ્વર પાસેથી છે કે નહિ તેની પરીક્ષા કરો. કારણ, દુનિયામાં ઘણા જૂઠા સંદેશવાહકો ઊભા થયા છે. ઈશ્વરના પવિત્ર આત્માની ખબર આ રીતે પડશે: ઈસુ ખ્રિસ્ત માનવદેહમાં આવ્યા હતા તેવું કબૂલ કરનાર પાસે ઈશ્વરનો આત્મા છે. પણ જે કોઈ ઈસુ વિષેની આ વાતનો ઇનકાર કરે છે તેની પાસે ઈશ્વર તરફથી આવેલો પવિત્ર આત્મા નથી. આ પ્રકારનો આત્મા તો “ખ્રિસ્તના શત્રુ” પાસેથી આવેલો છે. તમે સાંભળ્યું છે કે તે આવશે, ને તે હાલ પણ આ દુનિયામાં છે. પણ મારાં બાળકો, તમે તો ઈશ્વરના છો અને જૂઠા સંદેશવાહકોને તમે હરાવ્યા છે. કારણ, તમારામાં રહેતો પવિત્ર આત્મા દુનિયામાં રહેલા આત્મા કરતાં વધુ શક્તિશાળી છે. તેઓ દુન્યવી બાબતો વિષે બોલે છે અને દુનિયા તેમનું સાંભળે છે કારણ, તેઓ દુનિયાના છે. પણ આપણે તો ઈશ્વરના છીએ. જે કોઈ ઈશ્વરનો છે તે આપણું સાંભળે છે. જે કોઈ ઈશ્વરના પક્ષનો નથી તે આપણું સાંભળતો નથી. આ રીતે સત્યનો પવિત્ર આત્મા અને અસત્યના આત્મા વચ્ચેનો તફાવત આપણે પારખી શકીએ છીએ. પ્રિયજનો, આપણે એકબીજા પર પ્રેમ કરીએ, કારણ, પ્રેમ ઈશ્વર પાસેથી આવે છે. જે કોઈ પ્રેમ કરે છે તે ઈશ્વરનું બાળક છે અને ઈશ્વરને ઓળખે છે. જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી. કારણ, ઈશ્વર પ્રેમ છે. આ રીતે ઈશ્વરે આપણા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો: તેમણે પોતાના એકના એક પુત્રને આ દુનિયામાં મોકલ્યા જેથી તેમની મારફતે આપણને જીવન મળે. આપણે ઈશ્વર પર પ્રેમ કર્યો તેમાં નહિ, પણ તેમણે આપણા પર પ્રેમ કર્યો અને તેમના પુત્રને મોકલ્યા કે જેથી આપણાં પાપની માફી મળે, એમાં પ્રેમ છે. પ્રિયજનો, ઈશ્વરે આપણા પર એવો પ્રેમ કર્યો હોવાથી આપણે પણ એકબીજા પર પ્રેમ કરવો જોઈએ. ઈશ્વરને કોઈએ કદી જોયા નથી. જો આપણે એકબીજા પર પ્રેમ કરીએ તો ઈશ્વર આપણામાં રહે છે અને આપણામાં તેમનો પ્રેમ સંપૂર્ણ થાય છે. આપણે ઈશ્વરમાં રહીએ છીએ અને તે આપણામાં રહે છે તેનો પુરાવો એ છે કે, તેમણે આપણને પોતાનો પવિત્ર આત્મા આપ્યો છે. આપણે જોયું છે તથા બીજાઓને જણાવીએ છીએ કે, ઈશ્વરપિતાએ તેમના પુત્રને દુનિયાના ઉદ્ધારક થવા મોકલ્યા છે. ઈસુ ઈશ્વરના પુત્ર છે એવું જે કોઈ કબૂલ કરે છે તેનામાં ઈશ્વર રહે છે અને તે ઈશ્વરમાં રહે છે. આપણા પ્રત્યે ઈશ્વરનો જે પ્રેમ છે તે આપણે જાણીએ છીએ અને તે પર ભરોસો મૂકીએ છીએ. ઈશ્વર પ્રેમ છે અને જે કોઈ પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે. ન્યાયને દિવસે આપણને હિંમત રહે તે માટે આપણા જીવનમાં પ્રેમ સંપૂર્ણ કરાતો જાય છે. કારણ, આ દુનિયામાં જેવું ખ્રિસ્તનું જીવન હતું તેવું આપણું પણ છે. પ્રેમમાં કંઈ ભય નથી. પૂર્ણ પ્રેમ ભયને દૂર કરે છે. જેઓ બીકણ છે તેમના જીવનમાં પ્રેમ સંપૂર્ણ થયેલો નથી. કારણ, બીકને સજા સાથે સંબંધ છે. પ્રથમ ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો અને તેથી આપણે પ્રેમ કરીએ છીએ. જો કોઈ કહે, “હું ઈશ્વર પર પ્રેમ કરું છું.” પણ જો તે તેના ભાઈ પર દ્વેષ રાખતો હોય તો તે જૂઠો છે. કારણ, પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર તે પ્રેમ કરી શક્તો નથી તો પછી ઈશ્વર જેમને તેણે જોયા નથી તેમના પર તે કેવી રીતે પ્રેમ કરી શકે? ખ્રિસ્તે તો આપણને આ આજ્ઞા આપી છે: જે કોઈ ઈશ્વર પર પ્રેમ કરે છે તેણે પોતાના ભાઈ પર પણ પ્રેમ કરવો જોઈએ. ઈસુ એ જ મસીહ છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તે ઈશ્વરનું સંતાન છે. જે કોઈ પિતા પર પ્રેમ રાખે છે તે પિતાનાં અન્ય સંતાન પર પણ પ્રેમ રાખે છે. ઈશ્વર પર પ્રેમ કરવાથી અને તેમની આજ્ઞાઓ પાળવાથી આપણે ઈશ્વરનાં સંતાનો પર પ્રેમ રાખીએ છીએ તેની ખાતરી થાય છે. ઈશ્વર પર પ્રેમ કરવો એટલે જ તેમની આજ્ઞાઓનું પાલન કરવું, અને તેમની આજ્ઞાઓનું પાલન બહુ અઘરું નથી. કારણ, ઈશ્વરનું પ્રત્યેક સંતાન દુનિયાને જીતી શકે છે. આપણા વિશ્વાસની મારફતે આપણે દુનિયા પર વિજય મેળવી શકીએ છીએ. ઈસુ તે જ ઈશ્વરપુત્ર છે એવો વિશ્વાસ કરનાર સિવાય બીજું કોણ દુનિયાને જીતી શકે? ઈસુ ખ્રિસ્ત, પાણીથી અને રક્તથી આવ્યા. તે ફક્ત પાણીથી જ નહિ, પણ પાણી અને રક્ત બન્‍નેથી આવ્યા. આ વાત સાચી છે એવી સાક્ષી પવિત્ર આત્મા આપે છે. કારણ, પવિત્ર આત્મા સત્ય છે. કુલ ત્રણ સાક્ષીઓ છે: પવિત્ર આત્મા, પાણી અને રક્ત, અને એ ત્રણ એક જ પ્રકારનો સાક્ષી આપે છે. *** માણસોની સાક્ષી આપણે માનીએ છીએ; તો પછી ઈશ્વરની સાક્ષી તેના કરતાં પણ સબળ છે. ઈશ્વરે પોતાના પુત્ર વિષે એવી સાક્ષી આપી છે. આથી જે કોઈ ઈશ્વરપુત્ર પર વિશ્વાસ કરે છે તેના હૃદયમાં એ સાક્ષી છે. પણ જે કોઈ વિશ્વાસ કરતો નથી તેને ઈશ્વરે જૂઠો ઠરાવ્યો છે. કારણ, ઈશ્વરે તેમના પુત્ર વિષે જે સાક્ષી આપી છે તે પર તેણે વિશ્વાસ કર્યો નથી. તે સાક્ષી આ છે: ઈશ્વરે આપણને સાર્વકાલિક જીવન આપ્યું છે અને આ જીવન તેમના પુત્રમાં છે. જેને ઈશ્વરપુત્ર છે તેને જીવન છે અને જેને ઈશ્વરપુત્ર નથી તેને જીવન નથી. તમને સાર્વકાલિક જીવન છે તેવું તમે જાણો માટે હું તમને આ વાતો લખું છું, જેથી તમે ઈશ્વરપુત્રના નામ પર વિશ્વાસ મૂકી શકો. તેમની સમક્ષ આપણને હિંમત છે. કારણ, તેમની ઇચ્છા પ્રમાણે આપણે જે કંઈ માગીએ તે તે આપે છે. આપણે જ્યારે તેમને વિનંતી કરીએ છીએ ત્યારે તે આપણું સાંભળે છે. એ વાત સાચી છે એવું આપણે જાણતા હોવાથી આપણે તેમની પાસેથી જે કંઈ માગીએ તે તે આપણને આપે છે. જેનાથી મરણ ન થાય એવું પાપ કરતાં જો કોઈ પોતાના ભાઈને જુએ તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી; જેથી ઈશ્વર તેને જીવન આપે. મરણ ન થાય તેવા પાપ માટે આ નિયમ છે. મરણ નિપજાવે તેવું પણ પાપ છે, અને તેને માટે ઈશ્વરને વિનંતી કરવાનું હું તમને કહેતો નથી. સર્વ દુરાચાર પાપ છે અને મરણકારક નથી તેવું પણ પાપ છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું સંતાન પાપ કર્યા કરતું નથી. કારણ, ઈશ્વરપુત્ર તેને સંભાળે છે અને દુષ્ટ તેને ઇજા પહોંચાડી શક્તો નથી. આપણે જાણીએ છીએ કે સમગ્ર દુનિયા દુષ્ટના અધિકાર નીચે છે, પણ આપણે આપણા ઈશ્વરનાં છીએ. આપણે જાણીએ છીએ કે ઈશ્વરપુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે. મારાં બાળકો, મૂર્તિઓથી દૂર રહો. ઈશ્વરે પસંદ કરેલી બહેન તથા તેનાં બાળકોને, વડીલબધું તરફથી શુભેચ્છા. હું તમારા પર સાચા દિલથી પ્રેમ કરું છું. માત્ર હું જ નહિ, પણ સત્ય જાણનાર સૌ તમારા પર પ્રેમ કરે છે. કારણ, સત્ય આપણામાં રહે છે, અને હંમેશાં રહેશે. ઈશ્વરપિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણને કૃપા, દયા અને શાંતિ બક્ષો અને સત્ય તથા પ્રેમમાં તે આપણા બની રહો. ઈશ્વરપિતાએ આપણને આપેલી આજ્ઞા પ્રમાણે તારાં કેટલાંક બાળકો સત્યમાં રહે છે તે જાણીને મને ખૂબ જ આનંદ થયો, તેથી બહેન, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ એવી વિનંતી હું તને કરું છું. હું આ કોઈ નવી આજ્ઞા લખતો નથી; આ આજ્ઞા તો શરૂઆતથી જ આપણી પાસે છે. જે પ્રેમ વિષે હું વાત કરું છું તેનો અર્થ તો એ છે કે આપણે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ. જે આજ્ઞા તમે શરૂઆતથી જ સાંભળી છે તે આ છે: તમારે સૌએ પ્રેમમાં રહેવું જોઈએ. દુનિયામાં છેતરનારા ઘણા લોકો નીકળી પડયા છે. ઈસુ ખ્રિસ્ત માનવદેહમાં આવ્યા હતા તે વાતનો તેઓ ઇનકાર કરે છે. એવો માણસ છેતરનારો અને ખ્રિસ્તનો શત્રુ છે. તમે સાવધ રહો, જેથી જેને માટે તમે મહેનત કરી છે તે તમે ગુમાવી ન બેસો; પણ તેનો તમને પૂરેપૂરો બદલો મળે. જે કોઈ ખ્રિસ્તના શિક્ષણની મર્યાદામાં ન રહેતાં તેને વટાવી જાય છે તેની પાસે ઈશ્વર નથી. પણ ખ્રિસ્તના શિક્ષણને અનુસરનારની પાસે ઈશ્વરપિતા અને ઈશ્વરપુત્ર બંને છે. તેથી જો કોઈ તમારી પાસે આ શિક્ષણ લઈને ન આવે તો તમે તેને તમારા ઘરમાં સત્કાર કરશો નહિ, અને તેને શુભેચ્છા પણ પાઠવશો નહિ. કારણ, જે કોઈ તેને શુભેચ્છા પાઠવે છે તે તેનાં દુષ્ટ કાર્યોનો ભાગીદાર બને છે. મારે તમને કહેવું તો ઘણું છે પણ તે લખીને જણાવવું નથી. મારે તો તમારી મુલાકાત લેવી છે અને તમને રૂબરૂ મળવાની ઇચ્છા છે, જેથી આપણો આનંદ સંપૂર્ણ થાય. ઈશ્વરે પસંદ કરેલી તારી બહેનનાં બાળકો તને શુભેચ્છા પાઠવે છે. વડીલબધું તરફથી પ્રિય ગાયસને શુભેચ્છા. તારા પર હું પ્રેમ રાખું છું. મારા પ્રિય મિત્ર, તું સર્વ રીતે સુખી રહે અને જેમ તું આત્મામાં તંદુરસ્ત છે તેમ તારી શારીરિક તંદુરસ્તી પણ સારી રહે એવી હું પ્રાર્થના કરું છું. કેટલાક ભાઈઓએ આવીને જણાવ્યું કે તું સત્યમાં ખૂબ જ વિશ્વાસુ છે, ત્યારે મને પુષ્કળ આનંદ થયો. આમ તો તું સત્યને હંમેશાં અનુસરે છે. મારાં બાળકો સત્યને અનુસરે છે તે જાણીને મને સૌથી વધારે આનંદ થાય છે. મારા પ્રિય મિત્ર, ભાઈઓની અને અજાણ્યાઓની પણ સેવા કરવામાં તું ખૂબ જ વિશ્વાસુ છે. તેમણે તારા પ્રેમ વિષે અહીંની મંડળી સમક્ષ સાક્ષી પૂરી છે. ઈશ્વરને પસંદ પડે એ રીતે તું તેમને તેમની મુસાફરી ચાલુ રાખવામાં મદદ કરજે. કારણ, ખ્રિસ્તની સેવા કરવા માટે તેઓ મુસાફરી કરે છે અને અન્યધર્મીઓ પાસેથી તેમણે કોઈ મદદ લીધી નથી. આથી આપણે એવા માણસોને મદદ કરવી જોઈએ, જેથી સત્યના તેમના કાર્યમાં આપણે પણ ભાગીદાર બનીએ. મેં મંડળીને ટૂંકો પત્ર લખ્યો છે પણ દિયોત્રેફેસને આગેવાન બનવું છે. તેથી તે મારા કહેવા પ્રત્યે કંઈ ધ્યાન આપતો નથી. તેથી હું આવીશ ત્યારે તેનાં બધાં કાર્યો જાહેર કરીશ. તે મારા વિષે ભૂંડી વાતો બોલ્યા કરે છે. વળી, એટલું પૂરતું ન હોય તેમ તે ભાઈઓનો આવકાર કરતો નથી. જેઓ તેમનો આવકાર કરે છે તેમને તે તેમ કરતાં અટકાવે છે અને તેમને મંડળીની બહાર મૂકે છે. પ્રિય મિત્ર, ભૂંડાનું નહિ પણ સારાનું અનુકરણ કર. જે કોઈ સારું કરે છે તે ઈશ્વરના પક્ષનો છે; પણ જે કોઈ ભૂંડું કરે છે તેણે ઈશ્વરને જોયા નથી. દેમેત્રિયસ વિષે બધાનો અભિપ્રાય સારો છે. સત્ય પણ તેના વિષે સારું જ કહે છે. અમારી પણ એ જ સાક્ષી છે અને તું જાણે છે કે તે સાચી છે. મારે તને કહેવું તો ઘણું છે પણ તે લખીને જણાવવું નથી. હું જલદી તારી મુલાકાત લેવાની ઇચ્છા રાખું છું અને તે વખતે આપણે રૂબરૂમાં નિરાંતે વાત કરીશું. તને શાંતિ થાઓ. સર્વ મિત્રો પણ તને શુભેચ્છા પાઠવે છે. ત્યાંના આપણા બધા મિત્રોને પણ વ્યક્તિગત શુભેચ્છા પાઠવજે. જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેઓ ઈશ્વરપિતાને પ્રિય છે અને જેમને ઈસુ ખ્રિસ્ત માટે સાચવી રાખવામાં આવ્યા છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને યાકોબના ભાઈ યહૂદા તરફથી શુભેચ્છા. તમને દયા, શાંતિ અને પ્રેમ ભરપૂરપણે પ્રાપ્ત થાઓ. પ્રિયજનો, જે ઉદ્ધારના આપણે સહભાગી છીએ તે અંગે તમને લખવા હું ઘણો આતુર હતો; ઈશ્વરે પોતાના લોકોને કાયમને માટે એકીવારે આપેલા વિશ્વાસને માટે ઝઝૂમવા તમને પ્રોત્સાહન મળે તે માટે તમને લખવાની મને જરૂર જણાઈ છે. કારણ, કેટલાક નાસ્તિકો આપણામાં ખબર ન પડે એવી રીતે ધૂસી ગયા છે. પોતાના અનૈતિક સંબંધોને યોગ્ય ઠરાવવા માટે તેઓ ઈશ્વરની કૃપાનો દુરુપયોગ કરે છે અને ઈસુ ખ્રિસ્ત, જે એકલા જ આપણા માલિક અને પ્રભુ છે, તેમનો ઇનકાર કરે છે. આ લોકોને થનાર સજા વિષે શાસ્ત્રમાં બહુ પ્રાચીન સમયથી લખવામાં આવ્યું છે. જો કે તમે બધું જાણો છો તોપણ કેવી રીતે પ્રભુએ ઇઝરાયલ પ્રજાને ઇજિપ્તમાંથી બચાવી હતી અને જેમણે વિશ્વાસ ન કર્યો તેમનો કેવો નાશ કર્યો તેની હું તમને યાદ અપાવવા માગું છું. જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ તેમને માટે ઠરાવેલ ક્ષેત્ર છોડી દીધું તેમને ઈશ્વરે ન્યાયના મહાન દિવસ સુધી નીચે ઘોર અંધકારમાં સનાતન બંધનની સાંકળોથી બાંધી રાખ્યા છે. એ જ પ્રમાણે સદોમ અને ગમોરા તથા તેની આસપાસના વિસ્તારના નગરના લોકોએ વ્યભિચાર અને વિકૃત જાતીયકર્મો આચર્યાં હતાં. તેઓ સાર્વકાલિક અગ્નિની સજા ભોગવી રહ્યા છે અને સર્વને સ્પષ્ટ ચેતવણી મળે તે માટે ઉદાહરણરૂપ બન્યા છે. એ જ પ્રમાણે આ લોકો પોતાનાં સ્વપ્નમાં રાચીને પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે છે, ઈશ્વરની સત્તા અવગણે છે અને સ્વર્ગીય દૂતોનું અપમાન કરે છે. મોશેનું શબ કોણ રાખે તે વિષે શેતાનની સાથે વિવાદ થયો, ત્યારે મિખાએલે શેતાનની નિંદા કરીને તેના પર આરોપ મૂક્યો નહિ, પણ માત્ર આટલું જ કહ્યું, “પ્રભુ તને ધમકાવો.” પણ આ લોકો જે બાબતો સમજતા નથી તેની નિંદા કરે છે અને જંગલી પ્રાણીઓની માફક જે બાબતો તેઓ લાગણીથી જાણે છે તે જ બાબતમાં પોતાને ભ્રષ્ટ કરે છે. તેમની કેવી દુર્દશા થશે! તેઓ કાઈનને માર્ગે ચાલે છે, પૈસાને માટે બલઆમના જેવી ભૂલમાં પડે છે, કોરાહની માફક બળવો કરે છે અને વિનાશ વહોરી લે છે. તેઓ તમારી સંગતના ભોજન સમારંભમાં કલંકરૂપ છે અને શરમ વગર ખાયપીએ છે. તેઓ ફક્ત પોતાની જ કાળજી રાખે છે. તેઓ પવનથી ઘસડાતાં નક્માં નિર્જળ વાદળ જેવા છે. વળી, તેઓ મોસમમાં ફળ નહિ આપનાર, બિલકુલ મરી ગએલાં તથા મૂળમાંથી ઉખાડી નાખવામાં આવેલા વૃક્ષ જેવા છે. તેઓ તો સમુદ્રનાં ફીણ ઉપજાવનાર તોફાની મોજાંની જેમ પોતાનાં શરમજનક કાર્યોનો ઊભરો કાઢે છે. તેઓ ભટક્તા ધૂમકેતુ જેવા છે અને ઈશ્વરે તેમને માટે ઘોર અંધકાર સદાકાળને માટે તૈયાર કરી મૂકેલો છે. આદમથી સાતમી પેઢીના હનોખે ઘણા સમય અગાઉ તેમને માટે આવું ભવિષ્યકથન કહ્યું હતું: “જુઓ, પ્રભુ પોતાના હજારોહજાર સંતો સાથે આવશે, અને તે સર્વ પર ન્યાયશાસન લાવશે. દુષ્ટ પાપીઓએ કરેલાં દુષ્ટ કૃત્યો, અને ઈશ્વર વિરુદ્ધ ઉચ્ચારેલા ઉદ્ધત શબ્દો અંગે તે તેમને સજા કરશે.” આ લોકો હંમેશાં કચકચ કરે છે અને બીજાઓનો દોષ કાઢે છે. તેઓ પોતાની દુષ્ટ વાસનાઓ પ્રમાણે ચાલે છે અને મોટી મોટી બડાશો મારે છે તથા પોતાનો સ્વાર્થ સાધવા ખુશામત કરે છે. પ્રિયજનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોએ તમને ભૂતકાળમાં કહેલી વાત યાદ રાખો. તેમણે કહ્યું હતું, “અંતિમ દિવસોમાં તમારી મશ્કરી ઉડાવનારા માણસો ઊભા થશે, અને તેઓ પોતાની અપવિત્ર વાસનાઓ પ્રમાણે ચાલશે.” એવા જ લોકો ભાગલા પાડનાર, વિષયવાસનાઓના ગુલામ અને પવિત્ર આત્મા રહિત છે. પણ પ્રિયજનો, તમે તો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાનું બાંધક્મ ચાલુ રાખો. પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રાર્થના કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને પોતાની દયાથી તમને સાર્વકાલિક જીવન આપે તે માટે તમે તેમના આગમનની રાહ જોતાં જોતાં ઈશ્વરના પ્રેમમાં દૃઢ રહો. શંકાશીલોને ખાતરી પમાડો. કેટલાકને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો, બીજાઓ પ્રત્યે પણ દયા દેખાડો, પણ તેમની દુર્વાસનાઓથી કલંક્તિ થયેલાં તેમનાં વસ્ત્રોનો ભયપૂર્વક તિરસ્કાર કરો. હવે જે તમને આત્મિક અધ:પતનથી બચાવી લેવા શક્તિમાન છે અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ ગણી આનંદપૂર્વક આવકારવાના અધિકારી છે એવા એક જ ઈશ્વ2, જે આપણા ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધારક છે. તેમને અનાદિકાળ, હમણાં અને સદાસર્વકાળ મહિમા, પ્રતાપ, પરાક્રમ અને સત્તા હો! આમીન. ઈસુ ખ્રિસ્તે પ્રગટ કરેલી બાબતો વિષે આ પુસ્તક છે. ઈશ્વરે તેમને આ બાબતો પ્રગટ કરી હતી, જેથી જે બનાવો ત્વરાથી બનવાના છે તે ઈશ્વરના સેવકોને જણાવી શકાય. ખ્રિસ્તે પોતાના દૂતને મોકલીને એ બધું પોતાના સેવક યોહાનને જણાવ્યું. અને યોહાને જે જે જોયું તે બધું જ લખ્યું. ઈશ્વર તરફથી મળેલો સંદેશ અને ઈસુ ખ્રિસ્તે પ્રગટ કરેલ સત્ય વિષેનો આ અહેવાલ છે. આ પુસ્તક વાંચનારને તથા તેમાંનાં ભવિષ્યકથનો સાંભળનારને અને તેમાં જે લખેલું છે તેનું પાલન કરનારને ધન્ય છે. કારણ, એ બધું બનવાનો સમય પાસે આવી પહોંચ્યો છે. યોહાન તરફથી આસિયા પ્રાંતની સાતે સ્થાનિક મંડળીઓને, જે વર્તમાનમાં છે, જે ભૂતકાળમાં હતા અને જે ભવિષ્યમાં આવનાર છે તે ઈશ્વર તરફથી અને તેમના રાજયાસનની આગળ જે સાત આત્માઓ છે તેમના તરફથી, અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા, અને જેમણે તેમના પિતા એટલે ઈશ્વરની સેવા કરવા માટે આપણને યજ્ઞકારોના રાજ્યમાં દાખલ કર્યા છે, તે ઈસુને સદાસર્વકાળ ગૌરવ અને સામર્થ્ય હોજો! આમીન! જુઓ! તે વાદળાંમાં આવે છે! તેમને વીંધનારા સહિત બીજા સૌ તેમને જોશે અને પૃથ્વીની બધી પ્રજાઓ તેમને વિષે શોક કરશે; આમીન. પ્રભુ સર્વસમર્થ ઈશ્વર જે વર્તમાનમાં છે, જે ભૂતકાળમાં હતા અને જે ભવિષ્યમાં આવનાર છે તે કહે છે, “હું આલ્ફા તથા ઓમેગા છું.” હું યોહાન, તમારો ભાઈ અને ઈસુની સાથેની સંગતને લીધે તમારાં દુ:ખોમાં અને તેમના રાજમાં અને સહનશીલતામાં સહભાગી છું. ઈશ્વરનો સંદેશ અને ઈસુએ પ્રગટ કરેલ સત્યનો પ્રચાર કરવાને લીધે મને પાત્મસ ટાપુ પર મોકલી દેવામાં આવ્યો હતો. પ્રભુને દિવસે આત્માએ મારો કબજો લીધો અને મેં રણશિંગડાના અવાજ જેવી એક મોટી વાણી મારી પાછળ બોલતી સાંભળી. તેણે મને કહ્યું, “તું જે જુએ તે પુસ્તકમાં લખ અને એ પુસ્તક એફેસસ, સ્મર્ના, પેર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાદેલ્ફિયા અને લાઓદીકિયા; એ સાતે ય સ્થાનિક મંડળીઓને મોકલી આપ.” પછી મારી સાથે વાત કરનારને જોવા હું પાછો ફર્યો તો મેં સોનાની સાત દીવીઓ જોઈ. તેમની મયે મેં માનવપુત્ર જેવા એકને જોયા. તેમણે પગની પાની સુધી પહોંચે એવો ઝભ્ભો પહેર્યો હતો અને છાતી ઉપર સોનાનો પટ્ટો બાંધ્યો હતો. તેમના માથાના વાળ ઊન જેવા અને બરફ જેવા સફેદ હતા તેમની આંખો અગ્નિની જ્યોત જેવી તેજસ્વી હતી. ભઠ્ઠીમાં તપાવીને શુદ્ધ કરેલા તાંબાના જેવા તેમના પગ ચમક્તા હતા. સમુદ્રની ગર્જના જેવો તેમનો અવાજ હતો. *** તેમના જમણા હાથમાં સાત તારા હતા, અને તેમના મુખમાંથી તીક્ષ્ણ બેધારી તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય જેવો હતો. તેમને જોઈને હું તેમનાં ચરણોમાં મરેલા જેવો થઈને ઢળી પડયો. પરંતુ તેમણે તેમનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, હું જ પ્રથમ તથા છેલ્લો છું. હું જીવંત છું. હું મૃત્યુ પામ્યો હતો ખરો, પણ હવે સર્વકાળ માટે જીવંત છું, અને મૃત્યુ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે. તો હવે તું જે જુએ, એટલે જે બને છે અને હવે પછી જે જે બનવાનું છે તે લખી નાખ. મારા જમણા હાથમાં તેં જોયેલા સાત તારા અને સોનાની સાત દીવીઓના રહસ્યનો અર્થ આ પ્રમાણે છે: સાત તારા સાત મંડળીના દૂત છે, અને સાત દીવીઓ સાત મંડળીઓ છે. એફેસસની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેમના જમણા હાથમાં સાત તારા છે અને જે સોનાની સાત દીવીઓની મયે છે તે આમ કહે છે: “હું તારાં કાર્ય, તારો પરિશ્રમ, અને તેં ધીરજપૂર્વક સહન કરેલી યાતનાઓ જાણું છું. તું દુષ્ટ માણસોને ચલાવી લેતો નથી, પ્રેષિતો ન હોવા છતાં જેઓ પોતાને પ્રેષિત તરીકે ઓળખાવે છે, તેમની તેં પારખ કરી છે, અને તેઓ જૂઠા છે તેમ તેં જાણી લીધું છે. મારા નામને લીધે તેં ધીરજથી સહન કર્યું છે અને બોજ ઉઠાવ્યો છે, અને નાસીપાસ થયો નથી. પરંતુ તારી વિરુદ્ધ મારે આટલું છે: તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. તેથી જ્યાંથી તારું પતન થયું તે યાદ કરીને પાછો ફર અને પહેલાનાં જેવાં કાર્ય કર. જો તું પાછો નહિ ફરે તો હું આવીશ અને તારી દીવીને તેના સ્થાનેથી ખસેડી નાખીશ. આમ છતાં તારી તરફેણમાં આટલું છે: મારી જેમ તું પણ નિકોલાયતીઓનાં કૃત્યોને ધિક્કારે છે. પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેમને સાંભળવાને કાન હોય તે સાંભળે; જે વિજય પ્રાપ્ત કરશે, તેને હું ઈશ્વરના પારાદૈસમાંના જીવનવૃક્ષનું ફળ ખાવા આપીશ.” સ્મર્નામાંની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે પ્રથમ અને છેલ્લો છે અને મૃત્યુ પામીને સજીવન થયો છે, તે આમ કહે છે: “તારી યાતનાઓ અને ગરીબાઈ હું જાણું છું. જો કે તું તો ખરેખર શ્રીમંત છે! જેઓ પોતાને યહૂદી કહેવડાવે છે પરંતુ શેતાનના સભાગૃહના છે તેઓ તારી કેવી નિંદા કરે છે તે પણ હું જાણું છું. જે સંકટો તારા પર આવી પડવાનાં છે તેથી ગભરાઈશ નહિ. સાવધ રહે, શેતાન તમારી પરીક્ષા કરવા તમારામાંના કેટલાકને જેલમાં નાખવાનો છે અને દસ દિવસ સુધી તમારી સતાવણી થશે છતાં તારે મરવું પડે તોપણ મને વફાદાર રહે અને હું તને જીવનનો મુગટ આપીશ. પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે, જે વિજય પામશે તેને બીજા મરણનું દુ:ખ ભોગવવું નહિ પડે.” પેર્ગામમની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેના મુખમાં તીક્ષ્ણ બેધારી તરવાર છે તે આમ કહે છે: ‘હું જાણું છું કે જ્યાં શેતાનનું રાજ્યાસન છે ત્યાં તું વસે છે! તું તો મારા નામને વફાદાર રહ્યો છે અને જ્યાં શેતાન રહે છે ત્યાં મારા વફાદાર સાક્ષી આંતિપાસને મારી નાખવામાં આવ્યો એવા સમયમાં પણ તેં મારા પરના તારા વિશ્વાસનો ત્યાગ કર્યો નથી; પરંતુ મારે તારી વિરુદ્ધ થોડીક બાબતો કહેવાની છે: તારે ત્યાં કેટલાક બલઆમના શિક્ષણને અનુસરનાર છે. ઇઝરાયલી લોકોને કેવી રીતે પ્રલોભનમાં પાડવા તે બલઆમે બાલાકને શીખવ્યું, જેથી તેઓ મૂર્તિઓને અર્પેલો ખોરાક ખાય અને વ્યભિચાર કરે. એ જ પ્રમાણે કેટલાક નિકોલાયતીઓના શિક્ષણને અનુસરનારા પણ છે. તારાં પાપથી પાછો ફર. જો તું નહિ ફરે તો હું તરત તારી પાસે આવીશ અને મારા મુખમાંથી નીકળતી તલવારથી હું એ લોકો સાથે યુદ્ધ કરીશ. પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે, તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. જે વિજય પ્રાપ્ત કરશે તેને હું ગુપ્ત રાખવામાં આવેલા માન્‍નામાંથી ખાવા આપીશ. વળી, હું તેને એક સફેદ પથ્થર આપીશ; જેના પર એક એવું નામ લખેલું છે કે જેને એ પથ્થર મળે તેના વગર બીજું કોઈ તે જાણતું નથી.” થુઆતૈરાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેની આંખો અગ્નિની જ્વાળા જેવી તેજસ્વી છે અને જેના પગ ભઠ્ઠીમાં શુદ્ધ કરેલા તાંબા જેવા ચળક્તા છે તે, એટલે ઈશ્વરપુત્ર આમ કહે છે: ‘તારાં કાર્યો, તારો પ્રેમ, તારી વફાદારી, તારી સેવા અને તારી ધીરજ હું જાણું છું. પહેલાંના કરતાં તું અત્યારે વધારે કાર્યરત છે. પણ તારી વિરુદ્ધ મારે આટલું કહેવાનું છે: પોતાને ઈશ્વરની સંદેશવાહિકા કહેવડાવતી પેલી સ્ત્રી ઈઝબેલને તું સાંખી લે છે. તે પોતાના શિક્ષણથી મારા સેવકોને વ્યભિચાર કરવા અને મૂર્તિને ચઢાવેલો ખોરાક ખાવા ગેરમાર્ગે દોરે છે. મેં તેને તેનાં પાપથી પાછા ફરવાનો સમય આપ્યો છે. પણ તે પોતાનો વ્યભિચાર ત્યજી દેવા માંગતી નથી. તેથી હું તેને માંદગીના બિછાને નાખીશ અને તેણે કરાવેલાં કૃત્યોથી વ્યભિચારીઓ પાછા નહિ ફરે તો હું તેમને ભારે સતાવણીમાં નાખીશ. હું ઈઝબેલના અનુયાયીઓને મારી નાખીશ. એથી બધી મંડળીઓ જાણશે કે મન અને દયને પારખનાર હું છું. હું દરેકને તેનાં કૃત્યો પ્રમાણે બદલો આપીશ. પરંતુ થુઆતૈરામાં બાકીના જેઓ આ ભૂંડા શિક્ષણને અનુસર્યા નથી, અને લોકો જેને શેતાનનું ગૂઢ રહસ્ય કહે છે તે શીખ્યા નથી, તેમને હું આટલું કહેવા માગું છું: તારા પર હું વધારે બોજ લાદીશ નહિ. પરંતુ હું આવું ત્યાં સુધી તારી પાસે જે છે તેને વળગી રહેજે. જે વિજય પ્રાપ્ત કરશે અને મને ગમતાં કાર્યો અંત સુધી કરશે તેને હું જે અધિકાર મારા પિતાએ મને આપ્યો છે તે જ અધિકાર આપીશ. એટલે કે હું તેમને પ્રજાઓ પર લોખંડી રાજદંડથી શાસન કરવા અને માટીના પાત્રની જેમ તેમના ટુકડેટુકડા કરી નાખવાનો અધિકાર આપીશ. વળી, હું તેમને પ્રભાતનો તેજસ્વી તારો આપીશ. *** *** પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.” સાર્દિસમાંની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેની પાસે ઈશ્વરના સાત આત્મા છે અને સાત તારા છે તે આમ કહે છે: “હું તારાં ક્મ જાણું છું. તું જીવતો કહેવાય છે, પણ વાસ્તવમાં મરેલો છે. માટે જાગૃત થા અને તારી પાસે રહ્યુંસહ્યું જે કંઈ છે તે પૂરેપૂરું મરી પરવારે તે પહેલાં તેને ચેતનવંતુ કર. કારણ, મેં તારાં કાર્ય મારા ઈશ્વરની દૃષ્ટિમાં પૂર્ણ થયેલાં જોયાં નથી. તેથી તને આપવામાં આવેલું શિક્ષણ અને તેં તે કેવી રીતે સાંભળ્યું તે યાદ કર, તેને આધીન થા અને તારાં પાપથી પાછો ફર. જો તું જાગૃત નહિ થાય તો હું તારી પાસે ચોરની જેમ અચાનક આવી પડીશ, અને કયા સમયે હું આવીશ તેની પણ તને ખબર પડશે નહિ. પરંતુ સાર્દિસમાં હજુ કેટલાક એવા છે કે જેમનાં વસ્ત્ર મલિન થયાં નથી, તેમને હું કહું છું: તમે શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને મારી સાથે ફરશો, કારણ, તમે તે માટે લાયક છો. વિજયધ્વંતો એવી જ રીતે વસ્ત્રો પહેરશે અને ફરશે. વળી, જીવનના પુસ્તકમાંથી હું તેમનાં નામ ભૂંસી નાખીશ નહિ. મારા પિતાની અને તેમના દૂતોની સન્મુખ હું જાહેરમાં કબૂલ કરીશ કે તેઓ મારા છે. પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.” ફિલાદેલ્ફિયાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે પવિત્ર અને સત્ય છે, જેની પાસે દાવિદની ચાવી છે, જે ઉઘાડે તો કોઈ બંધ કરી શકતું નથી, અને બંધ કરે તો કોઈ ઉઘાડી શકતું નથી તે આમ કહે છે: “તારાં કાર્ય હું જાણું છું, વળી, તારામાં થોડી શક્તિ હોવા છતાં તું મારા ઉપદેશને અનુસર્યો છે અને મને વફાદાર રહ્યો છે. તારી સમક્ષ મેં દ્વાર ખુલ્લું મૂકાયું છે જેને કોઈ બંધ કરી શકે તેમ નથી. સાંભળ, પેલા શેતાનના સાગરીતો, એટલે, પેલા જૂઠાઓ પોતાને યહૂદી કહેવડાવે છે, પણ તેવા નથી, તેમને હું તારે ચરણે નમાવીશ ત્યારે તેઓ જાણશે કે હું તારા પર પ્રેમ રાખું છું. ધીરજપૂર્વક સહન કરવાની મારી આજ્ઞાનું તેં પાલન કર્યું છે તેથી લોકોની ક્સોટી કરવા આખી દુનિયા પર આવી પડનાર વિપત્તિમાં હું તને સંભાળી રાખીશ. હું તરત જ આવું છું. વિજયના તારા ઇનામને કોઈ ઝૂંટવી ન લે તે માટે તારી પાસે જે છે તેને વળગી રહે. જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ, અને તે તેની બહાર કદી જશે નહિ. હું તેના ઉપર મારા ઈશ્વરનું નામ, મારા ઈશ્વર પાસેથી સ્વર્ગમાંથી ઊતરી આવનાર નવા યરુશાલેમનું નામ, અને મારું પોતાનું નવું નામ લખીશ. પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.” લાઓદીકિયાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે આમીન, વિશ્વાસુ અને સત્યનિષ્ઠ સાક્ષી તથા ઈશ્વરના સર્વ સર્જનનું ઉદ્ભવસ્થાન છે તે આમ કહે છે: ‘તારાં કાર્ય હું જાણું છું. તું નથી ગરમ કે નથી ઠંડો. તું ગરમ કે ઠંડો હોત તો કેવું સારું! પણ તું હૂંફાળો છે; તું નથી ગરમ કે નથી ઠંડો, તે માટે હું તને થૂંકી નાખીશ! તું કહે છે, “હું ધનવાન છું; મેં સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે અને મને કશાની ખોટ નથી.” પરંતુ તું કેટલો દુ:ખી અને દયાપાત્ર છે તેની તને ખબર નથી! તું તો ગરીબ, નગ્ન અને અંધ છે. તેથી ધનવાન થવા માટે મારી પાસેથી ચોખ્ખું સોનું વેચાતું લે, તારી શરમજનક નગ્નતા ઢાંકવા માટે મારી પાસેથી સફેદ વસ્ત્રો વેચાતાં લે. તું જોઈ શકે માટે મારી પાસેથી અંજન વેચાતું લે. જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર. હું બારણાં આગળ ઊભો છું અને ખટખટાવું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. હું વિજયવંત થઈને મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બિરાજ્યો છું તે જ પ્રમાણે જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારી સાથે રાજ્યાસન પર બિરાજવાનો અધિકાર આપીશ. પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.” તે પછી મેં બીજું સંદર્શન જોયું, મેં સ્વર્ગમાં એક દ્વાર ખુલ્લું થયેલું જોયું! અને પહેલાં સાંભળ્યો હતો તેવા રણશિંગડાના જેવા જ અવાજે મને કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે બનાવો અવશ્ય બનવાના છે તે હું તને બતાવીશ.” તરત જ પવિત્ર આત્માએ મારો કબજો લીધો. ત્યાં સ્વર્ગમાં એક રાજ્યાસન હતું અને તેના પર કોઈ બિરાજમાન હતા. તેમનો ચહેરો નારંગી રંગના મણિ અને અકીક જેવો પ્રકાશિત હતો. રાજ્યાસનની આસપાસ નીલમ જેવું દેખાતું ચળકતું મેઘધનુષ હતું. રાજ્યાસનની આસપાસ ગોળાકારે ગોઠવાયેલાં બીજાં ચોવીસ આસનો હતાં. તેમના પર સફેદ વસ્ત્રો અને સુવર્ણ મુગટ પહેરીને ચોવીસ વડીલો બિરાજ્યા હતા. રાજ્યાસનમાંથી વીજળીના ચમકારા, અવાજો તથા મેઘગર્જનાના કડાકા નીકળતા સંભળાયા. રાજ્યાસનની સમક્ષ અગ્નિની સાત સળગતી મશાલો હતી. તે તો ઈશ્વરના સાત આત્માઓ હતા. રાજ્યાસનની સામે સ્ફટિક જેવા નિર્મળ ક્ચના હોજ જેવું દેખાતું કંઈક હતું. રાજ્યસનની પ્રત્યેક બાજુએ ચાર જીવંત પ્રાણીઓ હતાં. તેઓ આગળપાછળ આંખોથી ભરપૂર હતાં. પહેલું પ્રાણી સિંહ જેવું દેખાતું હતું; બીજું વાછરડા જેવું દેખાતું હતું; ત્રીજાને મનુષ્યના જેવો ચહેરો હતો; અને ચોથું ઊડતા ગરુડ જેવું હતું. અને એ પ્રત્યેક જીવંત પ્રાણીને છ પાંખો હતી અને તેઓ અંદર અને બહાર આંખોથી છવાયેલાં હતાં. તેઓ રાતદિવસ સતત ગાતાં હતાં: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સર્વસમર્થ ઈશ્વર પ્રભુ, જે હતા, જે છે અને જે આવનાર છે.” રાજ્યાસન પર બિરાજમાન અને સદાકાળ જીવંત એવા ઈશ્વરને માટે આ ચાર જીવંત પ્રાણીઓ ગૌરવ, સન્માન અને સ્તુતિગીત ગાય છે. તેઓ એમ કરે છે, ત્યારે પેલા ચોવીસ વડીલો રાજ્યાસન પર બિરાજેલાના ચરણે નમે છે અને જે સદાકાળ જીવંત છે તેની આરાધના કરે છે. તેઓ રાજ્યાસનની સામે પોતાના મુગટ ઉતારીને કહે છે, “અમારા પ્રભુ અને ઈશ્વર, ગૌરવ, સન્માન અને સામર્થ્ય પામવા તમે જ યોગ્ય છો. કારણ, તમે સૌના સર્જનહાર છો, અને તમારી ઇચ્છાથી જ તેઓ અસ્તિત્વમાં આવ્યાં અને જીવન પામ્યાં.” ત્યાર પછી રાજ્યાસન પર જે બિરાજમાન છે તેમના જમણા હાથમાં મેં એક પુસ્તક જોયું. તે તો બન્‍ને બાજુએ લખેલું અને સાત મુદ્રાથી મુદ્રાંક્તિ કરેલું હતું. પછી મેં એક શક્તિશાળી દૂતને જોયો, તેણે મોટે અવાજે જાહેર કર્યું, “સાત મુદ્રા તોડીને આ પુસ્તક ઉઘાડવાને કોણ સમર્થ છે?” પરંતુ સ્વર્ગમાં કે પૃથ્વી પર કે પૃથ્વીના પેટાળમાં એવો કોઈ નહોતો કે જે પુસ્તક ઉઘાડે અને તેની અંદર જુએ. એ પુસ્તક ઉઘાડે અને તેની અંદર જુએ એવો કોઈ મળ્યો નહિ તેથી હું પોક મૂકીને રડયો. ત્યારે એક વડીલે મને કહ્યું, “રડીશ નહિ, જો યહૂદાના કુળના સિંહે, એટલે દાવિદના કુળના વંશજે વિજય પ્રાપ્ત કર્યો છે અને તે સાત મુદ્રાઓ તોડીને એ પુસ્તક ઉઘાડવાને સમર્થ છે.” પછી મધ્યભાગમાં, ચાર જીવંત પ્રાણીઓની અને વડીલોની વચ્ચે રાજ્યાસન સમક્ષ એક હલવાનને મેં ઊભેલું જોયું. એ હલવાન જાણે કે બલિદાન કરેલું હોય તેવું જણાતું હતું. તે હલવાનને સાત શિંગડાં અને સાત આંખો હતી. એ આંખો તો પૃથ્વી પર મોકલાયેલા ઈશ્વરના સાત આત્માઓ છે. પેલા હલવાને જઈને રાજ્યાસન પર બિરાજનારના જમણા હાથમાંથી પુસ્તક લીધું. તેણે પુસ્તક લીધું એટલે ચાર જીવંત પ્રાણીઓ અને ચોવીસ વડીલો હલવાનની આગળ ઝૂકી પડયાં. દરેકના હાથમાં વાજિંત્ર અને સુગંધી ધૂપથી ભરેલાં સુવર્ણપાત્ર હતાં. એ ધૂપ તો ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓ છે. વળી, તેમણે નવું ગીત ગાયું: “તમે પુસ્તકની મુદ્રાઓ તોડીને તે ઉઘાડવાને સમર્થ છો. કારણ, તમારું બલિદાન કરવામાં આવ્યું હતું, અને તમારા રક્તથી તમે પ્રત્યેક જાતિ, ભાષા, રાષ્ટ્ર અને પ્રજામાંથી ઈશ્વરને માટે તમારા લોકને ખરીદી લીધા છે. આપણા ઈશ્વરનું ભજન કરવાને માટે તમે તેમને યજ્ઞકારોનું રાજ્ય બનાવ્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.” મેં ફરીથી જોયું અને મેં હજારો અને લાખો દૂતોનો અવાજ સાંભળ્યો. તેઓ રાજ્યાસન અને ચાર જીવંત પ્રાણીઓ અને ચોવીસ વડીલોની આસપાસ ઊભા હતા અને મોટે અવાજે ગાતા હતા: “જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, વૈભવ, જ્ઞાન અને સામર્થ્ય, સન્માન, ગૌરવ અને સ્તુતિ સ્વીકારવાને યોગ્ય છે!” અને સ્વર્ગમાં અને પૃથ્વી પર અને પૃથ્વીના પેટાળનાં બધાં પ્રાણીઓ અને દરિયાની અંદરનાં પ્રાણી અને આખી સૃષ્ટિનાં બધાં જ પ્રાણીઓનો અવાજ મેં સાંભળ્યો. તેઓ ગાતાં હતાં: “જે રાજ્યાસન પર બિરાજમાન છે તેમને અને હલવાનને, સદા સર્વકાળ સ્તુતિ, સન્માન, ગૌરવ અને સામર્થ્ય હો!” ચાર જીવંત પ્રાણીઓએ પ્રત્યુત્તર આપ્યો, “આમીન”! અને વડીલોએ ભૂમિ પર પડીને ભજન કર્યું. પછી મેં જોયું તો હલવાને સાત મુદ્રામાંથી પ્રથમ મુદ્રા તોડી અને ચાર જીવંત પ્રાણીઓમાંના એકે મેઘગર્જનાના જેવા અવાજે કહ્યું, “આવ!” અને મેં જોયું તો એક સફેદ ઘોડો હતો. તેની પર સવાર થયેલ વ્યક્તિના હાથમાં એક ધનુષ હતું અને તેને એક મુગટ આપવામાં આવ્યો હતો. તે વિજેતાની અદાથી જીતવા નીકળી પડયો. પછી હલવાને બીજી મુદ્રા તોડી ત્યારે મેં બીજા પ્રાણીને આમ કહેતાં સાંભળ્યું, “આવ!” એટલે બીજો લાલ રંગનો ઘોડો આવ્યો. તેના સવારને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી હતી; જેથી માણસો એકબીજાને મારી નાખે. તેને એક મોટી તલવાર આપવામાં આવી હતી. પછી હલવાને ત્રીજી મુદ્રા તોડી અને મેં ત્રીજા પ્રાણીને આમ કહેતાં સાંભળ્યું, “આવ!” મેં જોયું તો એક કાળો ઘોડો હતો. તેના સવારના હાથમાં ત્રાજવાં હતાં. પછી, જાણે ચાર જીવંત પ્રાણીઓની મયમાંથી આવતી હોય એવી વાણી મેં સાંભળી: “એક દીનારના આશરે અર્ધો કિલો ઘઉં અને એક દીનારના આશરે દોઢ કિલો જવ. પરંતુ ઓલિવ તેલ અને દ્રાક્ષાસવનો બગાડ કરીશ નહિ.” પછી હલવાને ચોથી મુદ્રા તોડી ત્યારે મેં ચોથા પ્રાણીને આમ કહેતાં સાંભળ્યું, “આવ!” મેં જોયું તો ફિક્કા રંગનો એક ઘોડો હતો. તેના સવારનું નામ “મૃત્યુ” હતું અને હાડેસ તેની પાછળ પાછળ ચાલ્યું જતું હતું. પૃથ્વી પરના લોકોના ચોથા ભાગને લડાઈ, દુકાળ, રોગચાળો અને જંગલી પ્રાણીઓ દ્વારા મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો હતો. પછી હલવાને પાંચમી મુદ્રા તોડી, ત્યારે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવા માટે અને સાક્ષી પૂરવાને લીધે માર્યા ગયેલા શહીદોના આત્માઓને મેં વેદીની નીચે જોયા. તેમણે મોટે સાદે પોકાર્યું, “સર્વસમર્થ, પવિત્ર અને સત્ય પ્રભુ! અમારો વધ કરનાર પૃથ્વીના લોકોનો ન્યાય કરવામાં અને બદલો વાળવામાં ક્યાં સુધી વિલંબ કરશો?” પછી તેમનામાંના દરેકને સફેદ ઝભ્ભો આપવામાં આવ્યો, અને જ્યાં સુધી તેમની જેમ વધ થનારા સાથીસેવકો અને ભાઈઓની સંખ્યા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને થોડો વધારે સમય આરામ લેવા જણાવવામાં આવ્યું. પછી હલવાને છઠ્ઠી મુદ્રા તોડી ત્યારે મેં જોયું કે ભયાનક ધરતીકંપ થયો અને સૂર્ય કાળો મેશ જેવો થઈ ગયો અને ચંદ્ર લોહી જેવો લાલ થઈ ગયો. પવનનાં વાવાઝોડાંથી તૂટી પડતાં ક્ચાં અંજીરની જેમ આકાશમાંથી તારાઓ પૃથ્વી પર ખરી પડયા. કાગળનો વીંટો લપેટાતો જતો હોય તેમ આકાશ અદૃશ્ય થયું અને બધા પર્વત અને ટાપુ પોતાને સ્થાનેથી ખસેડાઈ ગયા. પછી પૃથ્વીના રાજવીઓ, સત્તાધીશો અને સેનાપતિઓ, ધનિકો અને શૂરવીરો, ગુલામો અને સ્વતંત્ર માણસો અને બીજા સૌ કોઈ ગુફાઓમાં અને પર્વતો ઉપર ખડકોમાં સંતાઈ ગયા. તેઓ પર્વતો અને ખડકોને પોકારવા લાગ્યા, “અમારા ઉપર પડો અને રાજ્યાસન પર બિરાજનારની દૃષ્ટિથી અને હલવાનના કોપથી અમને સંતાડો. તેમના કોપનો મહાન દિવસ આવી લાગ્યો છે અને તેમની સામે કોણ ટકી શકે?” આ પછી મેં ચાર દૂતોને પૃથ્વીને ચાર ખૂણે ઊભા રહેલા જોયા. તેઓ પૃથ્વીના ચારે પવનોને રોકી રહ્યા હતા, કે જેથી પૃથ્વી પર, સમુદ્ર પર કે વૃક્ષો પર પવન વાય નહિ. પછી પૂર્વ દિશામાંથી મેં બીજા દૂતને ઈશ્વરની મુદ્રા લઈને આવતો જોયો. જે ચાર દૂતોને પૃથ્વી તથા સમુદ્રને નુક્સાન પહોંચાડવાની સત્તા આપવામાં આવી હતી તેમને તેણે મોટે અવાજે બોલાવ્યા અને કહ્યું, “જ્યાં સુધી અમે આપણા ઈશ્વરના સેવકોના કપાળે મુદ્રા ન મારીએ ત્યાં સુધી પૃથ્વી, સમુદ્ર કે વૃક્ષો, કશાને નુક્સાન પહોંચાડશો નહિ. પછી જેમના કપાળે ઈશ્વરની મુદ્રા મારવામાં આવી હતી તેમની સંખ્યા જણાવવામાં આવી. તે બધાં કુળની કુલ સંખ્યા એક લાખ ચુમ્માળીશ હજારની હતી. નીચેનાં બારે કુળોમાંથી બારબાર હજાર મુદ્રાંક્તિ કરાયાં: યહૂદા, રૂબેન, ગાદ, આશેર, નાફતાલી, મનાશ્શા, શિમયોન, લેવી, ઇસ્સાખાર, ઝબૂલુન, યોસેફ, બિન્યામીન. *** *** *** એ પછી મેં જોયું તો વિશાળ જનસમુદાય એકત્ર થયો હતો. એટલો મોટો કે તેમની સંખ્યા કોઈ ગણી શકે નહિ! તેઓ દરેક રાષ્ટ્ર, કુળ, પ્રજા અને ભાષાઓમાંના હતા. તેઓ રાજ્યાસનની અને હલવાનની આગળ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને ઊભા હતા. તેમના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. તેમણે મોટે અવાજે પોકાર્યું, “રાજ્યાસન પર બિરાજનાર આપણા ઈશ્વર અને હલવાન દ્વારા જ ઉદ્ધાર છે! રાજ્યાસન, વડીલો અને ચાર જીવંત પ્રાણીઓની ચારે બાજુએ બધા દૂતો ઊભા હતા. પછી તેઓ રાજ્યાસન સમક્ષ શિર ટેકવીને અને ધૂંટણિયે પડીને ઈશ્વરનું ભજન કરતાં બોલ્યા, “આમીન! સ્તુતિ, ગૌરવ, જ્ઞાન, આભાર, સન્માન, પરાક્રમ અને સામર્થ્ય સદા સર્વકાળ આપણા ઈશ્વરને હો! આમીન!” વડીલોમાંના એકે મને પૂછયું, “સફેદ વસ્ત્રો પહેરેલા આ લોકો કોણ છે અને ક્યાંથી આવેલા છે?” મેં જવાબ આપ્યો, “મહાશય, તમે તે જાણો છો.” તેણે મને કહ્યું, “એ લોકો તો ભારે સતાવણીમાં પસાર થઈને આવેલા છે અને તેમણે પોતાનાં વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને ઊજળાં કર્યાં છે. તેથી જ તેઓ ઈશ્વરના રાજ્યાસનની સમક્ષ ઊભા રહીને તેમની રાતદિવસ સેવા કરે છે. રાજ્યાસન પર બિરાજનાર પોતાની હાજરીથી તેમનું રક્ષણ કરશે. ફરીથી કદી તેમને ભૂખ કે તરસ લાગશે નહિ. સૂર્યનો કે બીજો કોઈ સખત તાપ તેમને બાળશે નહિ. કારણ, રાજ્યાસનના કેન્દ્રસ્થાને જે હલવાન છે તે તેમનો ઘેટાંપાળક બનશે અને તેમને જીવતા પાણીનાં ઝરણાંઓએ દોરી જશે. ઈશ્વર તેમની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે.” હલવાને સાતમી મુદ્રા તોડી, ત્યારે સ્વર્ગમાં આશરે અડધો કલાક મૌન છવાઈ ગયું. તે પછી મેં ઈશ્વરની સમક્ષ ઊભા રહેનાર સાત દૂતોને જોયા. તેમને સાત રણશિંગડાં આપવામાં આવ્યાં હતાં. સોનાનું ધૂપપાત્ર લઈને એક બીજો દૂત આવ્યો અને વેદી આગળ ઊભો રહ્યો. ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓમાં ઉમેરો કરવા માટે તેને ખૂબ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું હતું. તે ધૂપદ્રવ્ય રાજ્યાસનની સામેની સુવર્ણ વેદી પર ચઢાવવાનું હતું. ઈશ્વરની સમક્ષ ઊભા રહેલા દૂતના હાથમાંના ધૂપપાત્રમાંથી સળગતા ધૂપદ્રવ્યનો ધૂમાડો ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓ સાથે ઉપર જવા લાગ્યો. પછી દૂતે વેદી પરના અંગારા લઈને ધૂપપાત્રમાં મૂક્યા, અને તે પૃથ્વી પર ઠાલવી દીધું. એટલે પ્રચંડ મેઘગર્જના, કડાકાઓ, વીજળીના ચમકારા અને ધરતીકંપ થવા લાગ્યાં. પછી સાત દૂતો સાત રણશિંગડાં વગાડવા માટે તૈયાર થયા. પહેલા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, એટલે પૃથ્વી પર રક્તમિશ્રિત કરા અને અગ્નિ વરસ્યા. તેથી પૃથ્વીનો ત્રીજો ભાગ, વૃક્ષોનો ત્રીજો ભાગ અને બધું લીલું ઘાસ બળી ગયું. પછી બીજા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે અગ્નિથી સળગતા એક મોટા પર્વત જેવું કંઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. તેથી સમુદ્રનો ત્રીજો ભાગ રક્તમાં ફેરવાઈ ગયો, સમુદ્રના ત્રીજા ભાગનાં પ્રાણીઓ મરી ગયાં અને ત્રીજા ભાગનાં વહાણોનો નાશ થયો. પછી ત્રીજા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે મશાલની પેઠે સળગતો એક મોટો તારો આકાશમાંથી ખર્યો, અને ત્રીજા ભાગની નદીઓ અને ઝરણાં પર પડયો. તે તારાનું નામ તો “કડવાશ” છે. તેનાથી ત્રીજા ભાગનું પાણી કડવું થઈ ગયું અને તે કડવું પાણી પીવાથી ઘણાં મરી ગયાં. પછી ચોથા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે સૂર્યના ત્રીજા ભાગ પર, ચંદ્રના ત્રીજા ભાગ પર અને ત્રીજા ભાગના તારાઓ પર ઘા થયો. તેથી તેમનું ત્રીજા ભાગનું તેજ જતું રહ્યું. દિવસના ત્રીજા ભાગ દરમિયાન અને રાત્રિના ત્રીજા ભાગ દરમિયાન પ્રકાશ નહોતો. પછી મેં જોયું તો ઊંચે આકાશમાં એક ઊડતા ગરુડને મેં મોટે અવાજે બોલતાં સાંભળ્યું: બાકીના ત્રણ દૂતો રણશિંગડાં વગાડે ત્યારે તેના નાદને લીધે પૃથ્વી પર વસનારાઓને અફસોસ! અફસોસ! અફસોસ! પછી પાંચમા દૂતે તેનું રણશિંગડું વગાડયું અને પૃથ્વી પર આકાશમાંથી ખરેલા એક તારાને મેં જોયો. પૃથ્વીના ઊંડાણની ચાવી તેને આપવામાં આવી. તારાએ ઊંડાણને ઉઘાડયું અને અગ્નિની મોટી ભઠ્ઠીમાંથી નીકળતા હોય તેવા ધૂમાડાના ગોટેગોટા તેમાંથી નીકળ્યા. તે ધૂમાડાથી સૂર્યનો પ્રકાશ અને વાતાવરણ અંધકારમય બની ગયાં. તે ધૂમાડામાંથી પૃથ્વી પર તીડો ઊતરી આવ્યાં અને તેમને વીંછીના જેવી ડંખ મારવાની શક્તિ આપવામાં આવી. તેમને ઘાસ, વૃક્ષો કે કોઈ છોડને નુક્સાન પહોંચાડવાની મના કરવામાં આવી હતી. માત્ર જેમના પર ઈશ્વરની મુદ્રા મારવામાં આવી નહોતી, તેમને જ તેમણે નુક્સાન પહોંચાડવાનું હતું. એ તીડોને માણસોને મારી નાખવાની નહિ, પણ તેમને પાંચ મહિના સુધી રિબાવવાની છૂટ હતી. તેમના ડંખની વેદના વીંછીના ડંખની વેદના જેવી હતી. એ પાંચ મહિના દરમિયાન માણસો મરણ માગશે પણ મળશે નહિ. તેઓ મરણ ઝંખશે, પણ તે તેમનાથી દૂર ભાગતું રહશે. યુદ્ધને માટે સજ્જ કરવામાં આવેલ ઘોડાઓ જેવો એ તીડોનો દેખાવ હતો. તેમના શિરે મુગટ જેવું કંઈક હતું અને તેમનો ચહેરો માણસના ચહેરા જેવો હતો. સ્ત્રીના વાળ જેવા તેમના વાળ હતા અને સિંહના દાંત જેવા તેમનાં દાંત હતા. તેમની છાતી લોઢાના બખ્તર જેવી દેખાતી વસ્તુથી ઢંક્યેલી હતી. તેમની પાંખોના ફફડાટનો અવાજ ઘણા ઘોડા જોડેલા રથના ગડગડાટ જેવો હતો. તેમને વીંછીની જેમ ડંખવાળી પૂંછડીઓ હતી અને તેમની પૂંછડીમાં માણસોને પાંચ મહિના સુધી રિબાવવાની શક્તિ હતી. અગાધ ઊંડાણનો દૂત તેમનો રાજા છે. હિબ્રૂ ભાષામાં તેનું નામ આબાદ્દોન છે અને ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન - અર્થાત્ વિનાશક છે. પહેલી વિપત્તિ પૂરી થઈ છે અને હવે બીજી બે વધારે વિપત્તિઓ આવવાની છે. પછી છઠ્ઠા દૂતે તેનું રણશિંગડું વગાડયું. મેં ઈશ્વરની આગળ સુવર્ણવેદીના ખૂણેથી આવતો અવાજ સાંભળ્યો. તે અવાજે રણશિંગડાવાળા છઠ્ઠા દૂતને કહ્યું, “યુફ્રેટિસ નદી પર બાંધી રાખવામાં આવેલા ચાર દૂતોને છોડી મૂકો!” એટલે ચારે દૂતને છોડી મૂકવામાં આવ્યા. તેમને આ ચોક્કસ સમય, એટલે કે નિશ્ર્વિત વર્ષ, મહિનો અને દિવસના કલાકે માનવજાતના ત્રીજા ભાગનો સંહાર કરવા તૈયાર રાખેલા હતા. મને તેમના ઘોડેસવારોની સંખ્યા જણાવવામાં આવી. એ તો વીસ કરોડની હતી. મારા સંદર્શનમાં જોયેલા ઘોડા અને તેના સવાર આવા હતા. તેમની છાતીનાં બખ્તર અંગારા જેવાં લાલ, નીલમણિ જેવાં વાદળી અને ગંધક જેવાં પીળાં હતાં. ઘોડાનાં માથાં સિંહનાં માથાં જેવાં હતાં. અને તેમના મુખમાંથી અગ્નિ, ધૂમાડો અને ગંધક નીકળતાં હતાં. તેમની ત્રણ આફતો એટલે કે તેમના મોઢામાંથી નીકળતાં અગ્નિ, ધૂમાડો અને ગંધકથી માનવજાતના ત્રીજા ભાગનો સંહાર થયો. તે ઘોડાઓનું બળ તો તેમના મુખમાં અને તેમનાં પૂંછડાંમાં હતું. તેમના પૂંછડાં સાપના જેવાં અને માથાવાળાં હતાં. અને તે વડે તેઓ લોકોને નુક્સાન પહોંચાડતાં હતાં. આ આફતમાંથી ઉગરી જનાર બાકીના લોકોએ પોતે બનાવેલી મૂર્તિઓની પૂજાનો ત્યાગ કર્યો નહિ. તેઓએ ભૂતોની તથા જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે ચાલી શકે નહિ એવી સોના, ચાંદી, તાંબુ, પથ્થર અને લાકડાની મૂર્તિઓની પૂજા કરવાનું ચાલું રાખ્યું. વળી, તેઓ ખૂન, જાદુ, વ્યભિચાર અને ચોરીનાં કાર્યોથી પસ્તાઈને પાછા ફર્યા નહિ. પછી મેં એક બીજા પરાક્રમી દૂતને આકાશમાંથી ઊતરતો જોયો. તે વાદળોથી આચ્છાદિત હતો અને તેના કપાળની આસપાસ મેઘધનુષ હતું, તેનો ચહેરો સૂર્ય જેવો અને તેના પગ અગ્નિના થંભ જેવા હતા. તેના હાથમાં એક નાનું ખુલ્લું પુસ્તક હતું. તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર મૂક્યો, અને ડાબો પગ જમીન પર મૂક્યો. અને સિંહની ગર્જના જેવા ઘણા મોટા અવાજે પોકાર્યું. તેણે પોકાર કર્યો એટલે સાત મહાગર્જનાઓએ મોટા પડઘા પાડીને જવાબ આપ્યો. એ ગર્જનાઓ બોલી કે તરત જ હું તે લખી લેવા જતો હતો. પરંતુ મેં સ્વર્ગમાંથી એક વાણી સાંભળી, “સાત મહાગર્જનાઓની વાણી ગુપ્ત રાખ અને લખીશ નહિ!” પછી જે દૂતને મેં સમુદ્ર અને જમીન પર ઊભેલો જોયો હતો તેણે પોતાનો જમણો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો. તેણે આકાશ તથા તેમાંના સર્વસ્વને, પૃથ્વી તથા તેમાંના સર્વસ્વને અને સમુદ્ર તથા તેમાંના સર્વસ્વને સર્જનાર યુગાનુયુગ જીવંત ઈશ્વરને નામે સોગંદ લઈને કહ્યું, “હવે વિલંબ કરવામાં આવશે નહિ! પરંતુ સાતમો દૂત પોતાનું રણશિંગડું વગાડશે ત્યારે ઈશ્વર પોતાના સેવકો એટલે સંદેશવાહકોને પ્રગટ કરેલી ગુપ્ત યોજના સિદ્ધ કરશે.” પછી સ્વર્ગમાંથી મેં જે વાણી સાંભળેલી તેણે મને ફરીથી કહ્યું, “જા અને સમુદ્ર અને જમીન પર ઊભેલા દૂતના હાથમાંનું ખુલ્લું પુસ્તક લઈ લે.” હું દૂતની પાસે ગયો અને તે નાનું પુસ્તક માગ્યું. તેણે કહ્યું, “લે, ખા; તે તારા પેટમાં કડવું લાગશે, પણ મોંમાં તો તે મધ જેવું મીઠું લાગશે.” મેં તેના હાથમાંથી નાનું પુસ્તક લીધું અને ખાધું, તો તે મધ જેવું મીઠું લાગ્યું. પણ જ્યારે હું તે ગળી ગયો ત્યારે તે પેટમાં કડવું થઈ ગયું. પછી મને કહેવામાં આવ્યું, “ઘણી પ્રજાઓ, રાષ્ટ્રો, ભાષાઓ અને રાજાઓને જે થવાનું છે તે વિષે ઈશ્વરનું ભવિષ્યકથન પ્રગટ કર.” પછી મને માપદંડ જેવી લાકડી આપવામાં આવી અને કહેવામાં આવ્યું, “ઊઠ, ઈશ્વરના મંદિરનું તથા વેદીનું માપ લે અને જેઓ મંદિરમાં ભજન કરે છે તેમની ગણતરી કર. પરંતુ મંદિરની બહારનો ચોક મૂકી દઈને માપ લે. કારણ, એ ચોક વિધર્મીઓને સોંપેલો છે, તેઓ બેંતાળીસ મહિના સુધી પવિત્ર શહેરને ખૂંદશે. અળસી રેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા મારા બે સાક્ષીઓને હું મોકલીશ. તેઓ બારસો સાઠ દિવસ દરમિયાન ઈશ્વરનો સંદેશ પ્રગટ કરશે. એ સાક્ષીઓ તો પૃથ્વીના પ્રભુની સમક્ષ ઊભા રહેનાર બે ઓલિવ વૃક્ષ અને બે દીપવૃક્ષ છે. જો કોઈ તેમને ઇજા પહોંચાડવા ચાહે તો તેમના મુખમાંથી અગ્નિ નીકળીને તેમનો સંહાર કરશે. તેમને ઇજા પહોંચાડનાર એ રીતે માર્યો જશે. તેમને આકાશ બંધ કરી દેવાની સત્તા છે, જેથી તેઓ ઈશ્વરનો સંદેશ પ્રગટ કરતા હોય તે દરમિયાન વરસાદ નહિ પડે. વળી, તેમને ઝરણાંનું પાણી રક્તમાં ફેરવી નાખવાની સત્તા પણ છે. ગમે તેટલી વાર તેઓ પૃથ્વી પર દરેક પ્રકારની મરકી ફેલાવી શકે છે. પણ જ્યારે તેઓ સંદેશ આપવાનું તેમનું કાર્ય પૂરું કરશે, ત્યારે અગાધ ઊંડાણમાંથી નીકળી આવેલું ‘પશુ’ તેમની સાથે યુદ્ધ કરશે, તેમને હરાવશે અને તેમને મારી નાખશે. તેમનાં શબ મહાનગરની ગલીઓમાં રઝળશે, એ મહાનગરમાં પ્રભુ ક્રૂસે જડાયા હતા. તેનું સાંકેતિક નામ ‘સદોમ’ અથવા ‘ઇજિપ્ત’ છે. દરેક પ્રજા, જાતિ, ભાષા અને રાષ્ટ્રના લોકો તેમનાં શબને સાડાત્રણ દિવસ સુધી જોયા કરશે અને તેમને દફનાવવા દેશે નહિ. પૃથ્વીના લોકો આ બન્‍નેના મૃત્યુથી આનંદ કરશે. તેઓ એકબીજાને ભેટ મોકલીને ઉજવણી કરશે, કારણ, એ બન્‍ને સંદેશવાહકોએ પૃથ્વીના લોકોને ઘણું દુ:ખ દીધું હતું.” સાડાત્રણ દિવસ પછી ઈશ્વરે મોકલેલો જીવનનો શ્વાસ તેમનામાં પ્રવેશ્યો અને તેઓ ઊભા થયા. તેમને જોનાર સૌ ભયભીત થઈ ગયા. પછી તે બે સંદેશવાહકોએ સ્વર્ગમાંથી એક મોટી વાણી તેમને આમ કહેતી સાંભળી, “અહીં ઉપર આવો!” તેઓ તેમના શત્રુઓનાં દેખતાં વાદળ પર બેસીને સ્વર્ગમાં ગયા. તે જ ક્ષણે એક મોટો ભયંકર ધરતીકંપ થયો, અને તેથી નગરનો દસમો ભાગ નાશ પામ્યો. ધરતીકંપથી સાત હજાર માણસો માર્યા ગયા. બાકીના લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા અને સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો. બીજી આફત પૂરી થઈ છે, પણ જુઓ ત્રીજી તરત જ આવી રહી છે. પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!” પછી ઈશ્વરની સન્મુખ આસનો પર બિરાજમાન ચોવીસ વડીલોએ શિર ટેકવીને અને ધૂંટણિયે પડીને ઈશ્વરનું ભજન કર્યું. “હે પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર, તમે વર્તમાનમાં છો અને ભૂતકાળમાં હતા. અમે તમારો આભાર માનીએ છીએ, કારણ, તમે તમારો મહાન અધિકાર ધારણ કર્યો છે અને રાજ કરવા લાગ્યા છો! વિધર્મી પ્રજાઓ રોષે ભરાઈ છે. કારણ, તમારા કોપનો સમય અને મૃતકોનો ન્યાય કરવાનો સમય આવી પહોંચ્યો છે. તમારા સેવકોને અને તમારાથી ડરીને ચાલનાર નાનાંમોટાં સૌને બદલો વાળી આપવાનો સમય આવી પહોંચ્યો છે. “વળી, જેઓ પૃથ્વીનો વિનાશ કરી રહ્યા છે તેમનો વિનાશ કરવાનો સમય આવી પહોંચ્યો છે!” પછી સ્વર્ગમાંનું ઈશ્વરનું મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું અને ઈશ્વરના કરારની પેટી મંદિરમાં જોવામાં આવી. પછી વીજળીના ચમકારા, કડાકા અને મેઘગર્જના થવા લાગ્યાં. પૃથ્વી પર ધરતીકંપ થયો અને કરાનો ભારે વરસાદ વરસ્યો. એ પછી આકાશમાં એક રહસ્યમય દૃશ્ય દેખાયું. સૂર્યનું પરિધાન કર્યું હોય એવી એક સ્ત્રી હતી. તેના પગ તળે ચંદ્ર હતો અને તેને માથે બાર તારાનો મુગટ હતો. તેને થોડા સમયમાં જ પ્રસૂતિ થવાની હતી, અને પ્રસૂતિની પીડાને લીધે તે બૂમો પાડતી હતી. આકાશમાં બીજું એક રહસ્યમય દૃશ્ય દેખાયું. લાલ રંગનો એક પ્રચંડ અજગર દેખાયો. તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. દરેક માથા પર મુગટ હતો. તેણે પોતાની પૂંછડીના સપાટાથી ત્રીજા ભાગના તારાઓ ઘસડીને પૃથ્વી પર નાખ્યા. પેલી સ્ત્રી જેને પ્રસૂતિ થવાની હતી તેની સામે તે અજગર ઊભો રહ્યો કે જેથી બાળક જન્મે કે તે તરત જ તેનો ભક્ષ કરી જાય. પછી તે સ્ત્રીએ એક છોકરાને જન્મ આપ્યો, જે સઘળી પ્રજાઓ પર લોહદંડથી રાજ્ય કરશે. પણ તે છોકરાને ઝૂંટવીને ઈશ્વર અને તેમના રાજ્યાસન પાસે લઈ જવાયો. ઈશ્વરે રણપ્રદેશમાં તૈયાર કરી રાખેલી જગ્યામાં તે સ્ત્રી નાસી ગઈ. ત્યાં બારસો સાઠ દિવસ સુધી તેની સંભાળ લેવામાં આવશે. પછી સ્વર્ગમાં યુદ્ધ જામ્યું. મીખાએલ અને તેના સાથી દૂતો તે પ્રચંડ અજગર વિરુદ્ધ લડયા. તે પ્રચંડ અજગરે પણ પોતાના દૂતોને સાથે રાખી સામી લડાઈ આપી. પણ તે પ્રચંડ અજગરને હરાવવામાં આવ્યો અને તેનું તથા તેના દૂતોનું સ્વર્ગમાં કંઈ સ્થાન રહ્યું નહિ. તેથી તે પ્રચંડ અજગરને નીચે પછાડવામાં આવ્યો! તે તો પ્રાચીન સર્પ, જે દુષ્ટ શેતાન તરીકે ઓળખાય છે તે જ છે. તે જ આખી દુનિયાને ગેરમાર્ગે દોરી જતો હતો. તેને તેના દૂતોની સાથે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો. પછી સ્વર્ગમાં મેં એક મોટી વાણી આમ બોલતાં સાંભળી, “હવે આપણા ઈશ્વરે વિજય પ્રાપ્ત કર્યો છે, હવે ઈશ્વરનું રાજ આવ્યું છે. હવે તેમના અભિષિક્તે પોતાનો અધિકાર સ્થાપિત કર્યો છે. કારણ, ઈશ્વરની સમક્ષ આપણા ભાઈઓ પર રાતદિવસ દોષારોપણ કરનારને સ્વર્ગમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો છે. હલવાનના રક્તના પ્રતાપે અને પોતે પૂરેલી સાક્ષી દ્વારા આપણા ભાઈઓએ તેની પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેને માટે તેમણે પોતાના પ્રાણની પણ પરવા કરી નહિ, બલ્કે મરણને ભેટવા તૈયાર થયા હતા! તેથી ઓ સ્વર્ગ, અને સર્વ સ્વર્ગવાસીઓ હર્ષનાદ કરો! પણ પૃથ્વી અને સમુદ્ર તમને હાયહાય! કારણ, રોષે ભરાયેલો શેતાન તમારે ત્યાં ઊતરી આવ્યો છે અને તેને ખબર છે કે તેનો સમય પૂરો થવા આવ્યો છે.” જ્યારે પ્રચંડ અજગરને ખબર પડી કે તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે ત્યારે તેણે છોકરાને જન્મ આપનાર સ્ત્રીનો પીછો પકડયો. પણ તે સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી જેથી તે રણમાં જઈ શકે કે, જેથી ત્યાં સર્પના હુમલાથી તેનું રક્ષણ કરીને સાડાત્રણ વર્ષ સુધી તેની સંભાળ લેવામાં આવે. પછી સર્પે પોતાના મોઢામાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ છોડયો કે જેથી તે સ્ત્રી તેમાં તણાઈ જાય. પણ પૃથ્વીએ તે સ્ત્રીને મદદ કરી, અને પોતાનું મોં ઉઘાડીને પ્રચંડ અજગરે પોતાના મોઢામાંથી વહાવેલો પ્રવાહ પી ગઈ. પ્રચંડ અજગર પેલી સ્ત્રી પર ખૂબ ક્રોધે ભરાયો અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરનાર અને ઈસુએ પ્રગટ કરેલા સત્યને વળગી રહેનાર સ્ત્રીના બાકીનાં સંતાન સામે યુદ્ધ કરવા નીકળી પડયો, અને તે પ્રચંડ અજગર સમુદ્ર કિનારે રેતીમાં ઊભો રહ્યો. પછી મેં એક પશુને સમુદ્રમાંથી બહાર આવતું જોયું. તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. દરેક શિંગડા પર મુગટ હતો અને માથાં પર ઈશ્વરનિંદક નામો હતાં. મેં જોયેલું પશુ ચિત્તા જેવું, તેના પગ રીંછના પગ જેવા અને મોં સિંહના મોં જેવું હતું. પેલા પ્રચંડ અજગરે એ પશુને તેની પોતાની સત્તા, ગાદી અને વિશાળ અધિકાર આપ્યા. પશુનું એક માથું ઘવાયેલું લાગતું હતું, પણ તે જીવલેણ ઘા રુઝાઈ ગયો હતો. આખી પૃથ્વી આશ્ર્વર્યચકિત થઈને તે પશુને અનુસરવા લાગી. બધા લોકોએ પ્રચંડ અજગરની ભક્તિ કરી. કારણ, તેણે પોતાનો અધિકાર એ પશુને આપ્યો હતો. તેમણે એ પશુની પણ ભક્તિ કરી અને કહ્યું, “આ પશુના જેવું કોણ છે? તેને કોણ હરાવી શકે?” તે પશુને ભયંકર ઈશ્વરનિંદા કરવાની અને ગર્વિષ્ઠ દાવા કરવાની છૂટ આપવામાં આવી અને બેંતાળીસ મહિના સુધી તેને અધિકાર ચલાવવાની છૂટ આપવામાં આવી. તે પશુ ઈશ્વરને, તેમના નામને, તેમના નિવાસસ્થાનને અને બધા સ્વર્ગવાસીઓને શાપ આપતું હતું. તેણે ઈશ્વરના લોકો વિરુદ્ધ લડાઈ કરીને તેમને હરાવવાના હતા અને તેને દરેક જાતિ, પ્રજા, ભાષા અને રાષ્ટ્ર પર અધિકાર આપવામાં આવ્યો હતો. બલિદાન કરાયેલા હલવાનના પુસ્તકમાં એટલે કે જીવંત લોકોની યાદીના પુસ્તકમાં જેમનાં નામ સૃષ્ટિના સર્જન અગાઉ નોંધવામાં આવ્યાં છે તે સિવાયના પૃથ્વી પર રહેનારા અન્ય સૌ કોઈ તેની ભક્તિ કરશે. તો જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. જે બંદીવાસમાં જવાના હોય તે બંદીવાસમાં જશે; જે તલવારથી માર્યા જવાના હોય, તે તલવારથી જ માર્યા જશે. આ બધું તો ઈશ્વરના લોકોમાં સહનશક્તિ અને વિશ્વાસ માંગી લે છે. પછી મેં બીજું પશુ પૃથ્વીમાં આવતું જોયું. તેને હલવાનનાં શિંગડાં જેવા બે શિંગડાં હતાં. અને તે પ્રચંડ અજગરની જેમ બોલતું હતું. તેણે પેલા પ્રથમ પશુની વિશાળ સત્તાનો તેની સમક્ષ ઉપયોગ કર્યો. તેણે પૃથ્વી અને તેના વસનારાઓ સર્વને પ્રથમ પશુની ભક્તિ કરવાની ફરજ પાડી. પ્રથમ પશુનો જીવલેણ ઘા રૂઝાઈ ગયો હતો. આ બીજા પશુએ મોટા ચમત્કારો કરી બતાવ્યા; એટલે સુધી કે બધા માણસોના દેખતાં તેણે આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ ઉતાર્યો. અને પ્રથમ પશુની હાજરીમાં તેને જે ચમત્કારો કરવા દેવામાં આવતા હતા તેને લીધે તે બધાં પૃથ્વીવાસીઓને ભુલાવામાં નાખતું હતું. પેલું પ્રથમ પશુ જે તલવારથી ઘવાયું હતું છતાં જીવતું હતું તેના માનમાં તેની પ્રતિમા બનાવવા તે લોકોને સમજાવતું હતું. બીજા પશુને પ્રથમ પશુની પ્રતિમામાં પ્રાણ પૂરવાની સત્તા આપવામાં આવી હતી; જેથી તે પ્રતિમા બોલે અને જેઓ તેની ભક્તિ ન કરે તેમને તે મારી નાખે. તે બીજા પશુએ નાના કે મોટા, અમીર કે ગરીબ, ગુલામ કે સ્વતંત્ર, સૌ કોઈને જમણા હાથ પર અને કપાળે છાપ લેવાની ફરજ પાડી. એ છાપ વગર કોઈ વેચી કે ખરીદી શકે નહિ. તે છાપ તો પશુનું નામ અથવા તેના નામની સંખ્યા દર્શાવતો આંકડો છે. આ તો બુદ્ધિ માંગી લે છે, જે કોઈ બુદ્ધિશાળી હોય તે પશુના આંકડા પરથી તેનું નામ શોધી કાઢી શકે છે; કારણ, એ આંકડો એક માણસનું નામ સૂચવે છે. તે આંકડો છસો છાસઠ છે. પછી મેં જોયું તો હલવાન સિયોન પર્વત પર ઊભું હતું. તેની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર લોકો હતા, જેમના કપાળે હલવાનનું નામ અને ઈશ્વરપિતાનું નામ લખવામાં આવ્યાં હતાં. પછી મેં સમુદ્રનાં મોજાંના ધૂઘવાટ અને મેઘગર્જના જેવો અવાજ આકાશમાંથી સાંભળ્યો. વળી, વીણાવાદકો વીણા વગાડતા હોય તેવો અવાજ સાંભળ્યો. તેઓ રાજ્યાસન, ચાર જીવંત પ્રાણીઓ અને વડીલોની સમક્ષ એક નવું ગીત ગાતા હતા. પૃથ્વી પરથી મૂલ્ય આપીને મુક્ત કરાયેલા એવા પેલા એક લાખ ચુમ્માળીસ હજાર લોકો સિવાય બીજું કોઈ એ ગીત શીખી શકાયું નહિ. કારણ, એ જ લોકોએ સ્ત્રી સમાગમથી દૂર રહીને પોતાને શુદ્ધ રાખ્યા છે. તેઓ કુંવારા છે. હલવાન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેઓ તેની પાછળ જાય છે. માનવજાતમાંથી તેમને મૂલ્ય આપીને મુક્ત કરવામાં આવ્યા છે અને ઈશ્વરને તથા હલવાનને અર્પણ થનારાઓમાં તેઓ પ્રથમ છે. તેઓ કદી જૂઠું બોલ્યા નથી અને નિષ્કલંક છે. પછી મેં એક દૂતને ઊંચે હવામાં ઊડતો જોયો. તેની પાસે દરેક રાષ્ટ્ર, જાતિ, ભાષા અને પ્રજાને પ્રગટ કરવા માટે સાર્વકાલિક શુભસંદેશ હતો. તેણે મોટે અવાજે પોકાર્યું, “ઈશ્વરનો ડર રાખો, અને તેમની મહાનતાની પ્રશંસા કરો! કારણ, તે માનવજાતનો ન્યાય કરે એ સમય આવી પહોંચ્યો છે. આકાશ, પૃથ્વી, સમુદ્ર અને ઝરણાંના સર્જનહારની ભક્તિ કરો.” તેના પછી તરત જ બીજા દૂતે આવીને પોકાર્યું, “પડયું રે પડયું રે, મહાનગર બેબિલોન. તેણે પોતાના વ્યભિચારનો જલદ દારૂ બધા લોકોને પીવડાવ્યો છે.” એ બે દૂત પછી ત્રીજો દૂત આવ્યો અને તેણે મોટે અવાજે પોકાર્યું, “જે કોઈ પ્રથમ પશુની અને તેની પ્રતિમાની ભક્તિ કરશે અને તેની છાપ કપાળે અથવા પોતાના હાથ પર લગાવશે, તેણે પાણી મેળવ્યા વિના પાત્રમાં નિતારેલ જલદ દારૂ જેવો ઈશ્વરનો કોપ જાતે જ પીવો પડશે. એવું કરનારા બધા લોકો પવિત્ર દૂતો અને હલવાનની સમક્ષ અગ્નિ તથા ગંધકમાં રિબાશે. તેમને રિબાવતા અગ્નિનો ધૂમાડો સદાસર્વકાળ ઊંચે ચડયા કરશે. પશુની કે તેની પ્રતિમાની ભક્તિ કરનાર અને તેના નામની છાપ લગાવનાર દરેકને રાતદિવસ ચેન પડશે નહિ. આ બધું તો ઈશ્વરની આજ્ઞા પાળનાર અને ઈસુને વફાદાર રહેનાર ઈશ્વરના લોકો પાસેથી સહનશક્તિ માગી લે છે. પછી મેં સ્વર્ગમાંથી એક વાણી સાંભળી, “આ વાત લખી લે: ‘હવે પછી પ્રભુ પરના વિશ્વાસમાં રહેતાં મરણ પામનારને ધન્ય છે!” આત્મા જવાબ આપે છે, “ખરેખર તેમને ધન્ય છે. તેઓ તેમના સખત પરિશ્રમમાંથી આરામ પામશે, કારણ, તેમનાં સેવાકાર્યનાં ફળ તેમની સાથે જાય છે.” પછી મેં જોયું તો એક સફેદ વાદળ દેખાયું. તે વાદળ પર માનવપુત્ર જેવી એક વ્યક્તિ બિરાજી હતી. તેમને શિરે મુગટ હતો. તેમના હાથમાં ધારદાર દાતરડું હતું. પછી બીજો દૂત મંદિરમાંથી બહાર આવ્યો અને વાદળ પર બિરાજનારને બૂમ પાડીને કહ્યું, “તમારું દાતરડું ચલાવો અને ફસલ કાપવાની શરૂઆત કરો; કારણ, પૃથ્વીનો પાક પાકી ચૂક્યો છે અને લણવાનો સમય આવી પહોંચ્યો છે!” પછી વાદળ પર બિરાજનારે પોતાનું દાતરડું ચલાવ્યું અને પૃથ્વીની ફસલ લણાઈ ગઈ. પછી મેં બીજા એક દૂતને મંદિરમાંથી બહાર આવતો જોયો. તેની પાસે પણ ધારદાર દાતરડું હતું. પછી અગ્નિ પર અધિકાર ધરાવનાર બીજો એક દૂત વેદીએથી બહાર આવ્યો. તેણે મોટે અવાજે ધારદાર દાતરડાવાળા દૂતને બૂમ પાડી, “તારું દાતરડું ચલાવ અને પૃથ્વીની દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષો કાપી લે, કારણ, દ્રાક્ષો પાકી ગઈ છે!” તેથી દૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર ચલાવ્યું અને દ્રાક્ષવેલા પરથી દ્રાક્ષો કાપીને ઈશ્વરના મહાન કોપના દ્રાક્ષકુંડમાં નાખી. શહેર બહાર આવેલા દ્રાક્ષકુંડમાં તે દ્રાક્ષોને પીલીને તેમનો રસ કાઢવામાં આવ્યો અને તેમાંથી આશરે ત્રણસો કિલોમીટર લાંબી અને આશરે બે મીટર ઊંડી રક્તની નદી વહેવા લાગી. એ પછી મેં બીજું એક રહસ્યમય અને આશ્ર્વર્યકારક દૃશ્ય જોયું. સાત દૂતો સાત આફતો સાથે ઊભા હતા. આ અંતિમ આફતો હતી. કારણ, તેઓ ઈશ્વરના કોપનો અંતિમ તબક્કો દર્શાવે છે. પછી મેં અગ્નિમિશ્રિત ક્ચના સમુદ્ર જેવું કંઈક જોયું. વળી, મેં પશુ, તેની પ્રતિમા અને તેના નામના આંકડા પર વિજય પ્રાપ્ત કરનારાઓને જોયા. તેઓ ક્ચના સમુદ્ર પાસે ઈશ્વરે આપેલી વીણા લઈને ઊભા હતા. તેઓ ઈશ્વરના સેવક મોશેનું ગીત અને હલવાનનું ગીત ગાતા હતા. “હે પ્રભુ, સર્વસમર્થ ઈશ્વર તમારાં કાર્યો કેવાં મહાન અને અદ્‍ભુત છે! હે સર્વ પ્રજાના રાજવી, તમારા માર્ગો ન્યાયી અને સત્ય છે. તમારો ડર કોને ન લાગે? તમારી મહાનતાની સ્તુતિ કોણ નહિ ગાશે? તમે એકલા જ પવિત્ર છો. સઘળી પ્રજાઓ આવીને તમારી આરાધના કરશે, કારણ, તમારાં ન્યાયી કૃત્યો બધાએ નિહાળ્યાં છે.” પછી મેં સ્વર્ગમાંના મંદિરને ખુલ્લું થયેલું જોયું. તેમાં ઈશ્વરનો સાક્ષ્યમંડપ હતો. સાત આફતો લઈને સાત દૂતો મંદિરમાંથી બહાર આવ્યા. તેમણે સ્વચ્છ અને ચળક્તાં અળસી રેસાનાં શ્વેત વસ્ત્રો પહેર્યાં હતાં અને તેમની છાતીએ સોનાના પટ્ટા બાંધેલા હતા. પછી ચાર જીવંત પ્રાણીઓમાંના એકે પેલા સાત દૂતને સર્વકાળ જીવનાર ઈશ્વરના કોપથી ભરેલા સાત પ્યાલા આપ્યા. ઈશ્વરના પ્રભાવથી અને તેમના ગૌરવમાંથી નીકળતા ધૂમાડાથી મંદિર ભરાઈ ગયું અને સાત દૂતો દ્વારા આવનાર સાત આફતોનો અંત આવે નહિ ત્યાં સુધી મંદિરમાં કોઈ જઈ શકાયું નહિ. પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી. તેણે સાત દૂતોને કહ્યું, “જાઓ, ઈશ્વરના કોપથી ભરેલા એ સાત પ્યાલાઓ પૃથ્વી પર રેડી દો!” પહેલા દૂતે જઈને તેનો પ્યાલો પૃથ્વી પર રેડી દીધો. એથી પેલા પશુની છાપવાળા અને તેની મૂર્તિની પૂજા કરનાર લોકોના શરીર પર ભયાનક અને પીડાકારક ગૂમડાં ફૂટી નીકળ્યાં. પછી બીજા દૂતે તેનો પ્યાલો સમુદ્ર પર ઠાલવી દીધો. તેથી પાણી મરેલા માણસના રક્ત જેવું થઈ ગયું અને સમુદ્રમાંનાં બધાં જીવજંતુ મરણ પામ્યાં. પછી ત્રીજા દૂતે તેનો પ્યાલો નદીઓ અને ઝરણાં પર રેડી દીધો અને તેમનાં પાણી રક્ત બની ગયાં. પાણી પર સત્તા ધરાવનાર દૂતને મેં એમ કહેતાં સાંભળ્યો, “હે પવિત્ર ઈશ્વર, તમારા આપેલા ચુકાદાની બાબતમાં તમે ન્યાયી છો; તમે વર્તમાનકાળમાં જેવા ન્યાયી છો, તેવા ભૂતકાળમાં યે હતા. માણસોએ તમારા લોકોનું અને તેમના સંદેશવાહકોનું રક્ત રેડયું છે, અને એટલે જ તમે તેમને પીવા માટે રક્ત આપ્યું છે. તેઓ તેને માટે જ લાયક છે!” પછી મેં વેદીનો પ્રતિભાવ પણ સાંભળ્યો: “હા પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર, તમારા ચુકાદા ખરેખર સાચા અને ન્યાયી છે!” પછી ચોથા દૂતે તેનો પ્યાલો સૂર્ય પર રેડી દીધો અને પોતાની ભયાનક ગરમીથી માણસોને શેકી નાખવાની તેને છૂટ આપવામાં આવી. માણસો ભયાનક ગરમીથી બળવા લાગ્યા. તેમણે પોતાનાં પાપથી પાછા ફરીને ઈશ્વરની મહાનતાની પ્રશંસા કરી નહિ, પણ આ આફતો પર અધિકાર ધરાવનાર ઈશ્વરના નામને શાપ દીધો. પછી પાંચમા દૂતે તેનો પ્યાલો પશુની ગાદી પર રેડી દીધો, એટલે તેના રાજ્ય પર અંધકાર વ્યાપી ગયો અને માણસો વેદનાના માર્યા જીભો કરડવા લાગ્યા તથા પીડા અને ગૂમડાને લીધે સ્વર્ગમાંના ઈશ્વરને શાપ આપ્યો. તેઓ પોતાના ભૂંડા માર્ગોથી પાછા ફર્યા નહિ. પછી છઠ્ઠા દૂતે તેનો પ્યાલો મહાનદી યુફ્રેટિસ પર રેડી દીધો. એટલે તે નદી સુકાઈ ગઈ કે જેથી પૂર્વથી આવનાર રાજાઓને માટે માર્ગ તૈયાર થાય. વળી, મેં દેડકા જેવા ત્રણ અશુદ્ધ આત્માઓને પ્રચંડ અજગરના મોંમાંથી, પશુના મોંમાંથી અને જૂઠા સંદેશવાહકના મોમાંથી નીકળતા જોયા. એ તો ચમત્કાર કરનાર ભૂતોના આત્માઓ છે. એ ત્રણ આત્માઓ, સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસે તેમની સામે યુદ્ધે ચઢવા આખી પૃથ્વીના રાજાઓને સંગઠિત કરવા નીકળી પડયા. “સાંભળ! હું ચોરની જેમ આવું છું! જે કોઈ જાગૃત રહે છે અને પોતાને નિર્વસ્ત્ર થઈને ફરવું ન પડે તથા લોકો આગળ પોતાની શરમ જાહેર ન થાય માટે પોતાનાં વસ્ત્રની સંભાળ લે છે તેને ધન્ય છે.” પછી પેલા આત્માઓએ જેને હાર-માગેદોન કહેવાય છે તે સ્થળે રાજાઓને એકઠા કર્યા. પછી સાતમા દૂતે તેનો પ્યાલો વાતાવરણમાં રેડી દીધો અને મંદિરમાંના રાજ્યાસન પરથી એક મોટો અવાજ આવ્યો, “સઘળું પૂરું થયું!” તે પછી વીજળીના ચમકારા, અવાજો, મેઘના કડાકા અને ભયાનક ધરતીકંપ થયા. મનુષ્યને સર્જવામાં આવ્યું તે દિવસથી આજ સુધી કદી પણ એવો ધરતીકંપ થયો ન હતો. એ સૌથી ભયાનક ધરતીકંપ હતો! મહાનગરીના ત્રણ ભાગ થઈ ગયા. અને બધા જ દેશોનાં શહેરો નાશ પામ્યાં. ઈશ્વર બેબિલોન નગરીને ભૂલ્યા નહિ; પણ પોતાના કારમા કોપરૂપી દારૂનો પ્યાલો તેને પિવડાવ્યો. બધા જ ટાપુઓ ખસી ગયા અને બધા જ પર્વતો અદૃશ્ય થઈ ગયા. આકાશમાંથી માણસો ઉપર આશરે પચાસ પચાસ કિલોગ્રામના કરા પડયા અને એ કરાને લીધે માણસો ઈશ્વરને શાપ દેવા લાગ્યા. કારણ, એ તો સૌથી ભયાનક આફત હતી. પછી સાત પ્યાલાવાળા સાત દૂતોમાંનો એક મારી પાસે આવ્યો અને તેણે કહ્યું, “ચાલ, ઘણાં પાણી પર બેઠેલી નામચીન વેશ્યાને કેવી સજા થશે તે બતાવું. પૃથ્વીના રાજાઓએ તે નામચીન વેશ્યા સાથે વ્યભિચાર કર્યો છે અને પૃથ્વીના લોકો તેના વ્યભિચારનો દારૂ પીને ચકચૂર બની ગયા છે. પછી પવિત્ર આત્માએ મારો કબજો લીધો અને એ દૂત મને વેરાનમાં ઉપાડી ગયો. ત્યાં મેં લાલ પશુ પર બેઠેલી એક સ્ત્રી જોઈ. તે પશુને આખે શરીરે ઈશ્વરની નિંદા સૂચવતાં નામ લખેલાં હતાં અને તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. તે સ્ત્રીએ જાંબુડી અને કિરમજી રંગનાં વસ્ત્ર પહેર્યાં હતાં અને તે સોનાનાં ઘરેણાં અને હીરામોતીથી લદાયેલી હતી. તેના હાથમાં તેના વ્યભિચારના પરિણામરૂપે બીભત્સ કાર્યોથી અને ગંદકીથી ભરેલો સોનાનો પ્યાલો હતો. તેના કપાળે એક નામ લખેલું હતું જેનો ગુપ્ત અર્થ આવો છે: “મહાનગરી બેબિલોન - પૃથ્વીની બધી વેશ્યાઓ અને વિકૃત ક્માચારીઓની માતા.” મેં જોયું કે તે સ્ત્રી ઈશ્વરના લોકોનું અને ઈસુને વફાદાર રહેવાને લીધે શહીદ થયેલા લોકોનું લોહી પીને ચકચૂર બનેલી હતી. તેને જોઈને હું આશ્ર્વર્યચકિત થઈ ગયો. દૂતે મને પૂછયું, “તું આશ્ર્વર્યમાં કેમ પડી ગયો? તે સ્ત્રીનો અને તેને વહન કરનાર સાત માથાં અને દશ શિંગડાંવાળા પશુનો ગુપ્ત અર્થ હું તને સમજાવીશ. તેં જોયું તે પશુ એક સમયે જીવતું હતું. પણ અત્યારે જીવતું નથી. છતાં તે અગાધ ઊંડાણમાંથી આવવાની તૈયારીમાં છે અને તેણે નાશમાં જવાનું છે. પૃથ્વી પર વસનાર લોકો જેમનાં નામ જીવંત લોકોની યાદીના પુસ્તકમાં સૃષ્ટિના સર્જન અગાઉ લખવામાં આવ્યાં ન હતાં, તેઓ તે પશુને જોઈને આશ્ર્વર્ય પામશે. કારણ, એક સમયે તે જીવતું હતું. અત્યારે તે જીવતું નથી, પણ તે ફરીથી દેખાશે. આ વાત તો જ્ઞાન અને સમજણ માંગી લે છે. સાત માથાં તે સાત ટેકરીઓ છે. અને એ ટેકરીઓ પર તે સ્ત્રી બેઠી છે. વળી, એ સાત રાજાઓ પણ છે. જેમાંના પાંચનું પતન થયું છે, એક રાજ કરે છે અને એક હજી આવવાનો છે. તે આવે ત્યારે તે થોડો જ સમય ટકશે. અને પેલું પશુ જે એકવાર જીવતું હતું, પણ અત્યારે જીવતું નથી, તે જ આઠમો રાજા છે. તે પેલા સાત રાજાઓમાંનો છે અને વિનાશમાં જવાનો છે. જે દશ શિંગડાં તેં જોયાં, તે દશ રાજાઓ છે. તેમને હજી રાજ્યાધિકાર મળ્યો નથી, પરંતુ તેમને પેલા પશુ સાથે એક ઘડીભર રાજ્ય કરવાનો અધિકાર આપવામાં આવશે. એ દશેદશ રાજાઓનો હેતુ એક જ છે અને તેમણે તેમનાં સત્તા અને અધિકાર પેલા પશુને આપ્યાં છે. તેઓ હલવાનની વિરુદ્ધ લડશે, પણ હલવાન અને તેના આમંત્રિતો, પસંદ કરેલા અને વફાદાર અનુયાયીઓ તેમને હરાવશે. કારણ, તે હલવાન તો પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે. દૂતે મને એ પણ કહ્યું, “જે ઘણાં પાણી તેં જોયાં, જેના પર પેલી વેશ્યા બેઠી છે, તે તો પ્રજાઓ, લોકો, રાષ્ટ્રો અને ભાષાઓ છે. જે દશ શિંગડાં તેં જોયાં તે અને પેલું પશુ પણ વેશ્યાનો તિરસ્કાર કરવા લાગશે. તેઓ તેનું બધું જ પડાવી લેશે અને તેને નગ્ન કરી દેશે. તેઓ તેનું માંસ ખાઈ જશે અને તેને અગ્નિમાં સળગાવી દેશે. કારણ, ઈશ્વરે પોતાનો ઇરાદો પૂરો કરવા તેમના હૃદયમાં એવું કરવાની ઇચ્છા મૂકી છે. જેથી ઈશ્વરનાં કથનો સાચાં ઠરે ત્યાં સુધી તેઓ એક મતના થઈ કાર્ય કરે અને પશુને તેમનો રાજ્યાધિકાર આપે. જે સ્ત્રી તેં જોઈ તે તો પૃથ્વીના રાજાઓ પર શાસન ચલાવનાર મહાનગરી છે. એ પછી મેં બીજા એક દૂતને સ્વર્ગમાંથી નીચે આવતો જોયો. તેને વિશાળ સત્તા આપવામાં આવી હતી અને તેના તેજથી આખી પૃથ્વી ઝળહળી ઊઠી. તેણે મોટે અવાજે પોકાર્યું, “પતન થયું! મહાનગરી બેબિલોનનું પતન થયું! હવે તે ભૂતો અને અશુદ્ધ આત્માઓનું નિવાસસ્થાન બન્યું છે. દરેક પ્રકારનાં મલિન અને ઘૃણાજનક પક્ષીઓ તેનામાં વાસો કરે છે. કારણ, તેણે તેના વ્યભિચારરૂપી જલદ દારૂનો પ્યાલો બધી પ્રજાઓને પીવડાવ્યો છે. પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે અને દુનિયાના વેપારીઓ તેની લાલસાથી ભોગવિલાસની આવકમાંથી ધનવાન બન્યા છે.” પછી મેં બીજી એક વાણી આકાશમાંથી આમ કહેતી સાંભળી, “ઓ મારા ભક્તો, તે નગરીમાંથી નીકળી આવો, અને તેના પાપમાં તમે ભાગીદાર થશો નહિ, રખેને તેની આફતો તમારા પર આવી પડે! કારણ, તેના પાપનો ગંજ ઊંચે આકાશ સુધી ખડક્યો છે, અને ઈશ્વર તેનાં દુષ્ટ કાર્યો યાદ કરે છે. જે રીતે તે વર્તી છે તે રીતે તમે પણ તેની સાથે વર્તો, તેનાં કાર્યોનો બમણો બદલો આપો. તેણે તૈયાર કરેલાં પીણાં કરતાં બમણાં જલદ પીણાંથી તેનો પ્યાલો ભરી દો. તેણે જેટલો વૈભવવિલાસ ભોગવ્યો છે તેટલાં જ દુ:ખ અને વેદના તેને આપો. કારણ, તે મનમાં એમ માને છે કે હું કંઈ વિધવા નથી, પણ ગાદીએ બિરાજેલી રાણી છું અને હું કદી શોક કરીશ નહિ! એને લીધે રોગચાળો, વેદના, દુકાળ એ બધી આફતો એક જ દિવસે તેના પર આવી પડશે, અને તેને અગ્નિમાં બાળી નાખવામાં આવશે. કારણ, તેનો ન્યાય કરનાર તો પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર છે.” તેનાં વ્યભિચાર અને વાસનામાં ભાગ લેનાર પૃથ્વીના રાજાઓ તેના બળવાનો ધૂમાડો જોઈને રડશે. તેને થતી વેદનાથી ગભરાઈને તેઓ દૂર ઊભા રહીને કહેશે, “અરે, મહાનગરી, તને હાય હાય! ઓ પ્રતાપી બેબિલોન, ફક્ત એક ઘડીમાં તને સજા મળી ચૂકી!” પૃથ્વીના વેપારીઓ પણ તેને માટે વિલાપ કરે છે, કારણ, હવે કોઈ તેમનો માલસામાન ખરીદતું નથી. તેમનું સોનું, ચાંદી, હીરા, મોતી, અળસીના રેસાનાં બારીક વસ્ત્ર, જાંબુડી કાપડ, રેશમ અને લાલ રંગનાં વસ્ત્રો, દરેક પ્રકારનાં સુગંધી લાકડાં, હાથીદાંત અને કિંમતી લાકડાની, તાંબાની, લોખંડની અને આરસની વસ્તુઓ, તજ, એલચી, ધૂપ અને બોળ, દારૂ અને તેલ, મેંદો અને ઘઉં, ઢોરઢાંક અને ઘેટાં, ઘોડા અને રથ, ગુલામો એટલે કે માનવજીવો, કોઈ કંઈ ખરીદતું નથી. *** *** વેપારીઓ તેને કહે છે, “જે સારી ચીજો મેળવવા તું તલસતી હતી તે બધી જ અદૃશ્ય થઈ ગઈ છે, અને તારો બધો વૈભવ અને ભપકો તેં ગુમાવ્યા છે અને તે તને ફરી કદી મળશે નહિ!” એ શહેરમાં આ વસ્તુઓનો વેપાર કરીને ધનવાન થયેલા વેપારીઓ તેને થતી વેદનાથી ગભરાઈને દૂર ઊભા રહેશે. તેઓ વિલાપ કરશે. અને કહેશે, “ઓ મહાનગરી તને હાય હાય! તે તો અળસીના શ્વેત રેસાનાં, જાંબુડી અને લાલ રંગના વસ્ત્રો જ પહેરતી તથા સોનાથી, ઝવેરાતથી અને મોતીથી પોતાને શણગારતી હતી! અને એક જ ઘડીમાં બધું ધન ગુમાવી બેઠી!” બધા જ કપ્તાનો, મુસાફરો, ખલાસીઓ અને દરિયાઈ માર્ગે વેપાર કરનારા બીજા બધા ખૂબ દૂર ઊભા રહ્યા, અને તેના બળવાનો ધૂમાડો જોઈને રડવા લાગ્યા, “આ મહાનગરી જેવી બીજી કોઈ હતી નહિ!” તેમણે પોતાને માથે ધૂળ નાખી અને તેઓ મોટેથી રડીને શોક કરવા લાગ્યા, “ઓ મહાનગરી તને હાય હાય! આ તો એ નગરી છે, જ્યાં વહાણવટું કરનાર બધા જ તેની સંપત્તિથી ધનવાન બન્યા છે! અને ફક્ત એક ઘડીમાં જ તે ઉજ્જડ થઈ ગઈ.” ઓ સ્વર્ગ, તેના નાશને લીધે તમે આનંદ કરો. ઓ ઈશ્વરના લોકો, પ્રેષિતો અને સંદેશવાહકો તમે પણ આનંદ કરો. કારણ, તમારા પરના તેના અત્યાચારને લીધે ઈશ્વરે તેને સજા કરી છે. પછી એક સમર્થ દૂતે ઘંટીના પડ જેવો મોટો પથ્થર ઉપાડયો અને તેને દરિયામાં નાખતાં તે બોલ્યો, “આ જ રીતે મહાનગરી બેબિલોનને ખૂબ જોરથી ફેંકી દેવામાં આવશે અને તે ફરી કદી દેખાશે નહિ. વીણા, સંગીત, વાંસળી કે શરણાઈના સૂર તારે ત્યાં ફરી સંભળાશે નહિ! હુન્‍નરઉદ્યોગનો એકપણ કારીગર તારે ત્યાં મળશે નહિ અને દળવાની ઘંટીનો અવાજ પણ સંભળાશે નહિ. દીવાનો પ્રકાશ પણ તારે ત્યાં ફરી દેખાશે નહિ અને વરકન્યાનો કિલ્લોલ પણ તારે ત્યાં સંભળાશે નહિ. તારા વેપારીઓ આખી દુનિયામાં પ્રખ્યાત હતા. તેં તારા જાદુમંતરથી આખી દુનિયાના લોકોને છેતર્યા છે!” ઈશ્વરના સંદેશવાહકો અને તેના લોકોનું અને પૃથ્વી પર મારી નંખાયેલા સર્વ લોકોનું લોહી એ શહેરમાં મળી આવ્યું હતું. એ પછી સ્વર્ગમાં જાણે કે મોટા જનસમુદાયનો કોલાહલ થઈ રહ્યો હોય એવો મોટો અવાજ સંભળાયો. તેઓ પોકારતા હતા, “હાલ્લેલુયા! ઉદ્ધાર, ગૌરવ અને સામર્થ્ય આપણા ઈશ્વરનાં જ છે! તેમના ચુકાદા સાચા અને ન્યાયી છે. પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરનાર નામીચી વેશ્યાને ઈશ્વરે સજા કરી છે. કારણ, તેણે ઈશ્વરના સેવકોને મારી નાખ્યા હતા.” તેમણે ફરી પોકાર કર્યો, “હાલ્લેલુયા! બળતી મહાનગરીનો ધૂમાડો સદાસર્વકાળ ઉપર ચઢતો રહેશે!” ચોવીસ વડીલો અને ચાર જીવંત પ્રાણીઓએ શિર નમાવીને રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વરનું ભજન કર્યું અને કહ્યું, “આમીન, હાલ્લેલુયા!” પછી રાજ્યાસન પરથી એક વાણી સંભળાઈ, “ઈશ્વરના બધા સેવકો, અને તેમની બીક રાખનાર નાનાંમોટાં સૌ ઈશ્વરની પ્રશંસા કરો.” એ પછી મોટા જનસમુદાયના કોલાહલ જેવો, અને પ્રચંડ ધોધના ગડગડાટ જેવો અને મેઘના કડાકા જેવો અવાજ મેં સાંભળ્યો. તેઓ પોકારતા હતા. “હાલ્લેલુયા! આપણા ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ, રાજ કરે છે. ચાલો, આપણે આનંદ કરીએ અને બહુ હર્ષ પામીએ, અને તેમને મહિમા આપીએ. કારણ, હલવાનના લગ્નનો સમય આવી ગયો છે. તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે. તેને અળસી રેસાનું સ્વચ્છ અને ચળકતું વસ્ત્ર પહેરવા માટે આપવામાં આવ્યું છે. એ અળસી રેસાનું વસ્ત્ર તો ઈશ્વરના લોકોનાં ન્યાયી કૃત્યો છે. પછી દૂતે મને કહ્યું, “આ વાત લખી લે: જેમને હલવાનના લગ્નમાં આમંત્રણ મળ્યું છે, તેમને ધન્ય છે.” વળી, તેણે મને કહ્યું, “આ ઈશ્વરનાં સત્ય કથનો છે.” હું તેનું ભજન કરવા તેને પગે પડયો, પણ તેણે મને કહ્યું, “એમ ન કર. હું તારો ને તારા ભાઈઓનો એટલે ઈસુએ પ્રગટ કરેલ સત્યને વળગી રહેનાર સૌનો સાથીસેવક છું. ઈશ્વરનું ભજન કર!” કારણ, ઈસુએ પ્રગટ કરેલો સત્યસંદેશ જ સંદેશવાહકોના સંદેશનું હાર્દ છે. પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું, એવામાં એક સફેદ ઘોડો હતો. તેના સવારનું નામ “વિશ્વાસુ અને સત્ય” છે. તે તો અદલ ઇન્સાફ આપે છે અને યુદ્ધ કરે છે. તેની આંખો અગ્નિની જ્યોત જેવી હતી અને તેણે માથે ઘણા મુગટો પહેર્યા હતા. તેના ઉપર એક નામ લખેલું છે, પણ એ ઘોડેસવાર સિવાય બીજું કોઈ એ નામ જાણતું નથી. તેણે પહેરેલો ઝભ્ભો લોહીમાં તરબોળ હતો. ‘ઈશ્વરનો શબ્દ’ એ નામે તે ઓળખાય છે. સ્વર્ગનાં સૈન્યો સફેદ ઘોડાઓ પર સવાર થઈને અને અળસીરેસાનાં શ્વેત, સ્વચ્છ વસ્ત્ર પહેરીને તેને અનુસરતા હતા. એક તીક્ષ્ણ તલવાર તેના મોંમાંથી નીકળતી હતી; તેનાથી જ તે વિધર્મી પ્રજાઓનો પરાજય કરશે, તે તેમના પર લોખંડી રાજદંડથી શાસન ચલાવશે અને સર્વસમર્થ ઈશ્વરના ભયાનક કોપરૂપી દ્રાક્ષકુંડને ખૂંદી નાખશે. તેના ઝભ્ભા પર અને તેની જાંઘ પર “રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ” એવું નામ લખેલું હતું. પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભેલો જોયો. તેણે આકાશમાં ઊડતાં બધાં પક્ષીઓને બૂમ પાડી, “આવો, ઈશ્વરના મહાન સમારંભમાં ભાગ લેવા એકત્ર થાઓ! પૃથ્વીના રાજાઓ, સેનાપતિઓ, સૈનિકો, ઘોડા અને તેમના સવાર, ગુલામ કે સ્વતંત્ર, નાનાં કે મોટાં, સઘળાં માણસોનું માંસ ખાઓ!” પછી મેં પેલા પશુને અને પૃથ્વીના રાજાઓને તેમનાં લશ્કરો લઈને પેલા સફેદ ઘોડા પર સવારી કરનાર સામે અને તેના સૈન્ય સામે યુદ્ધ કરવા એકઠા થયેલા જોયા. પશુને અને તેની સાથે તેની હાજરીમાં ચમત્કાર કરનાર જૂઠા સંદેશવાહકને કેદ કરવામાં આવ્યા. એ સંદેશવાહકે ચમત્કારો કરીને પશુની છાપવાળાં અને પશુની મૂર્તિની પૂજા કરનારા લોકોને ભરમાવ્યા હતા. તે પશુ અને જૂઠો સંદેશવાહક એ બંનેને ગંધકથી બળતા અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યાં. તેમનાં સૈન્યો, સફેદ ઘોડા પર સવારી કરનારાના મોંમાંથી નીકળતી તલવાર વડે મારી નંખાયાં અને બધાં પક્ષીઓએ ધરાઈને તેમનું માંસ ખાધું. પછી મેં એક દૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો. તેના હાથમાં અગાધ ઊંડાણની ચાવી અને મોટી સાંકળ હતાં. તેણે પેલા પ્રચંડ અજગર, એટલે પ્રાચીન સર્પ જે દુષ્ટ અને શેતાન છે, તેને એક હજાર વર્ષ માટે બાંધી દીધો. એ દૂતે તેને અગાધ ઊંડાણમાં ફેંકી દીધો અને તાળું મારીને મુદ્રા મારી કે જેથી હજાર વર્ષ પૂરાં થાય ત્યાં સુધી તે લોકોને ફરીથી છેતરે નહિ. એ પછી તે થોડા સમય માટે છૂટો કરાવો જોઈએ. પછી મેં રાજ્યાસનો જોયાં અને જેમને ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો, તેમને તેમના પર બેઠેલા જોયા. ઈસુએ પ્રગટ કરેલ સત્ય અને ઈશ્વરના સંદેશને લીધે જેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો તેઓ એ હતા. તેમણે પેલા પશુની કે તેની મૂર્તિની પૂજા કરી ન હતી અને તેમના કપાળે કે હાથે પશુની છાપ લીધી ન હતી. તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યું. બાકીનાં મરેલાં હજાર વર્ષ પૂરા થતાં સુધી સજીવન થયાં નહિ. મરેલાંઓના સજીવન થવાનો આ પ્રથમ તબક્કો છે. સજીવન થવાના આ પ્રથમ તબક્કામાં જેમનો સમાવેશ થયો છે તેમને ધન્ય છે અને તેઓ પવિત્ર છે. તેમની પર બીજીવારના મરણને અધિકાર નથી. તેઓ ઈશ્વરના અને ખ્રિસ્તના યજ્ઞકારો બનશે અને તેમની સાથે હજાર વર્ષ રાજ્ય કરશે. હજાર વર્ષ પૂરાં થયા પછી, શેતાનને કેદમાંથી મુક્ત કરવામાં આવશે. અને તે દુનિયામાં વિખરાયેલી વિધર્મી પ્રજાઓને એટલે ગોગ અને માગોગને ગેરમાર્ગે દોરવા નીકળી પડશે. શેતાન તેમને યુદ્ધ માટે એકત્ર કરશે. તેઓ દરિયાકિનારાની રેતીના કણ જેટલા હશે. તેઓ આખી પૃથ્વી પર ફેલાઈ જશે અને ઈશ્વરના લોકોની છાવણીને અને ઈશ્વરના પ્રિય શહેરને ઘેરો ઘાલશે પણ આકાશમાંથી અગ્નિ ઊતરીને તેમનો નાશ કરશે. પછી તેમને છેતરનાર શેતાનને ગંધક અને અગ્નિના કુંડમાં નાખવામાં આવ્યો. ત્યાં પશુ અને જૂઠા સંદેશવાહકને અગાઉથી ફેંકવામાં આવ્યા છે અને તેઓ રાતદિવસ સદાસર્વકાળ રિબાયા કરશે. પછી મેં સફેદ રાજ્યાસન જોયું અને તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયાં અને તેમનું નામનિશાન રહ્યું નહિ. પછી મેં મરણ પામેલાં નાનાંમોટાં સૌને રાજ્યાસન સામે ઊભેલાં જોયાં. પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં અને બીજું એક જીવંત લોકોની યાદીનું પુસ્તક પણ ઉઘાડવામાં આવ્યું. પુસ્તકોમાં લખ્યા મુજબ દરેકનો તેમનાં કાર્યો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. પછી સમુદ્રે તેનામાં મરણ પામેલાંઓને સોંપી દીધાં. મૃત્યુએ અને હાડેસે પણ તેમની પાસેનાં મરેલાંઓને સોંપી દીધાં અને બધાંનો તેમનાં કાર્યો પ્રમાણે ન્યાય થયો. પછી મૃત્યુને અને હાડેસને અગ્નિકુંડમાં ફેંકી દેવામાં આવ્યાં. આ અગ્નિકુંડ એ જ બીજીવારનું મરણ છે. જીવંત લોકોની યાદીના પુસ્તકમાં જેનું નામ લખેલું ન હતું તેવા પ્રત્યેકને અગ્નિના કુંડમાં ફેંકી દેવામાં આવ્યો. પછી મેં નવું આકાશ અને નવી પૃથ્વી જોયાં. પહેલાનું આકાશ અને પહેલાંની પૃથ્વી અદૃશ્ય થઈ ગયાં હતાં અને સમુદ્ર તો હવે છે જ નહિ. અને મેં પવિત્ર નગર, એટલે નવા યરુશાલેમને સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઊતરતું જોયું. વરને મળવા શણગારીને સજાવેલી કન્યાની જેમ તે તૈયાર અને સજ્જ કરેલું હતું. મેં રાજ્યાસન પરથી એક મોટો અવાજ સાંભળ્યો, “હવે ઈશ્વરનું નિવાસસ્થાન માણસોની સાથે છે! તે તેમની સાથે રહેશે અને તેઓ તેના લોક થશે. ઈશ્વર પોતે જ તેમની સાથે રહેશે અને તે તેમના ઈશ્વર બનશે. તેમની આંખનું એકેએક આંસુ તે લૂછી નાખશે. મૃત્યુ, વેદના, રુદન અને દુ:ખ ફરીથી આવશે નહિ. એ જૂની બાબતો જતી રહી છે. પછી રાજ્યાસન પર બિરાજનારે કહ્યું, “જુઓ, હવે હું બધું નવું બનાવું છું!” તેમણે મને એ પણ કહ્યું, “આ વાત લખી લે; કારણ, આ શબ્દો વિશ્વાસપાત્ર અને સત્ય છે.” અને તેણે કહ્યું, “સઘળું પૂરું થયું. હું આલ્ફા અને ઓમેગા, આરંભ અને અંત છું. જેમને આત્મિક તરસ છે તેમને હું જીવનજળના ઝરણામાંથી વિનામૂલ્યે પીવડાવીશ. જે વિજય પ્રાપ્ત કરશે તે મારી પાસેથી આ બધું મેળવશે. હું તેનો ઈશ્વર થઈશ અને તે મારો પુત્ર થશે. પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે. સાત આખરી આફતો ભરેલા સાત પ્યાલાવાળા સાત દૂતોમાંના એકે મારી પાસે આવીને મને કહ્યું, “ચાલ, હું તને કન્યા એટલે હલવાનની પત્ની બતાવું.” આત્માએ મારો કબજો લીધો અને દૂત મને એક ઘણા ઊંચા પર્વતના શિખર પર લઈ ગયો. તેણે મને પવિત્ર નગર યરુશાલેમ સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઊતરતું બતાવ્યું. તે ઈશ્વરના ગૌરવથી ઝળકતું હતું. તે શહેરનો ચળક્ટ રાતા મણિના જેવા અમૂલ્ય રત્નના જેવો અને સ્ફટિક જેવો શુદ્ધ હતો. તેની ચારે તરફ ઊંચો કોટ હતો અને કોટમાં બાર દરવાજા હતા. અને દરેક દરવાજે એકએક એમ બાર દૂત હતા. દરેક દરવાજા પર એકએક એમ ઇઝરાયલનાં બારે કુળોનાં નામ લખેલાં હતાં. દરેક દિશાએ ત્રણ દરવાજા હતા. પૂર્વમાં ત્રણ, દક્ષિણમાં ત્રણ, ઉત્તરમાં ત્રણ અને પશ્ર્વિમમાં ત્રણ. શહેરનો કોટ બાર પાયા પર બાંધેલો હતો અને એ દરેક પર એકએક એમ હલવાનના બાર પ્રેષિતોનાં નામ લખેલાં હતાં. મારી સાથે વાત કરનાર દૂતની પાસે નગર, તેનો દરવાજો અને તેનો કોટ માપવા માટે સોનાનો માપદંડ હતો. તે નગર સમચોરસ હતું. એટલે કે તેની લંબાઈ અને પહોળાઈ એક્સરખાં હતાં. દૂતે પોતાના માપદંડથી નગર માપ્યું: તે આશરે ચોવીસ સો કિલોમીટર હતું, તેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક્સરખાં જ હતાં. દૂતે કોટ માપ્યો તો તે માનવી માપ પ્રમાણે આશરે 70 મીટર ઊંચો હતો. તેના કોટનું ચણતર યાસપિસનું હતું; અને નગર નિર્મળ ક્ચના જેવા ચોખ્ખા સોનાનું હતું. નગરના કોટના પાયા દરેક પ્રકારનાં મૂલ્યવાન રત્નોથી સુશોભિત હતા. પહેલો પાયો યાસપિસ, બીજો નીલમ, ત્રીજો માણેક, ચોથો લીલમ, પાંચમો અકીક, છઠ્ઠો લાલ, સાતમો સુવર્ણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકુત. તે બાર દરવાજા બાર મોતીના હતા; દરેક દરવાજો એક એક મોતીનો હતો; અને નગરનો રસ્તો ચોખ્ખા સોનાનો અને નિર્મળ ક્ચના જેવો હતો. નગરની અંદર મેં એક પણ મંદિર જોયું નહિ. કારણ, પ્રભુ, સર્વસમર્થ ઈશ્વર અને હલવાન પોતે જ તેનું મંદિર છે. નગરને સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી. કારણ, ઈશ્વરનું ગૌરવ તેના પર પ્રકાશે છે અને હલવાન તે નગરનો દીવો છે. દુનિયાના લોકો તેના પ્રકાશમાં ફરશે અને પૃથ્વીના રાજાઓ તેમની સંપત્તિ તેમાં લાવશે. નગરના દરવાજા હંમેશાં ખુલ્લા રહેશે અને બંધ કરવામાં આવશે નહિ. કારણ, ત્યાં રાત્રિ જ નહિ હોય. પ્રજાઓની સંપત્તિ અને કીર્તિ ત્યાં લાવવામાં આવશે. પણ અશુદ્ધ, શરમજનક કાર્ય કરનાર કે જૂઠાઓ તેમાં પ્રવેશ પામશે નહિ. ફક્ત જેમનાં નામ હલવાનના જીવંત લોકોની યાદીના પુસ્તકમાં લખેલાં છે તેઓ જ તેમાં પ્રવેશ પામશે. પછી દૂતે મને ઈશ્વરના અને હલવાનના રાજ્યાસનમાંથી નીકળીને પવિત્ર નગરની મધ્યમાં વહેતી સ્ફટિક જેવી ચળક્તી જીવનજળની નદી બતાવી. નદીની બન્‍ને બાજુએ જીવનવૃક્ષ હતું. તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં અને પ્રત્યેક મહિને તે પોતાનાં ફળ આપતું હતું. તેનાં પાંદડા પ્રજાઓને સાજાપણું આપે છે. ઈશ્વરના શાપ નીચે હોય એવું કોઈ તે નગરમાં મળી આવશે નહિ. ઈશ્વરનું અને હલવાનનું રાજ્યાસન તે નગરમાં રહેશે અને તેના સેવકો તેમનું ભજન કરશે. તેઓ તેમનું મુખ જોશે. લોકોના કપાળે તેમનું નામ લખેલું હશે. હવે પછી રાત પડશે નહિ, અને તેમને દીવાના કે સૂર્યના પ્રકાશની જરૂર પડશે નહિ. કારણ, ઈશ્વર પ્રભુ પોતે જ તેમનો પ્રકાશ છે અને તેઓ રાજાઓ તરીકે સદાસર્વકાળ રાજ કરશે. પછી તેમણે મને કહ્યું. “આ કથનો વિશ્વાસપાત્ર અને સત્ય છે. અને સંદેશવાહકોના આત્માઓના પ્રભુ ઈશ્વરે થોડીવારમાં શું થવાનું છે તે પોતાના સેવકોને બતાવવા પોતાના દૂતને મોકલ્યો છે.” ઈસુ કહે છે, “જુઓ! હું ત્વરાથી આવું છું. આ પુસ્તકમાંનાં ભવિષ્યકથનોનું પાલન કરનારને ધન્ય છે!” મેં યોહાને જ આ બધું સાંભળ્યું તથા જોયું છે. એ બધું સાંભળવાનું અને જોવાનું પૂરું થયા પછી એ બાબતો બતાવનાર દૂતનું ભજન કરવા માટે હું તેને પગે પડયો. પણ તેણે મને કહ્યું, “એમ ન કર! હું તારો, તારા સંદેશવાહક ભાઈઓનો, અને આ પુસ્તકનાં ભવિષ્યકથનો પાળનાર સૌનો સાથીસેવક છું. તું માત્ર ઈશ્વરનું ભજન કર!” તેણે મને કહ્યું, “આ પુસ્તકનાં ભવિષ્ય કથનોને છુપાવી રાખીશ નહિ, કારણ, એ બધું થવાનો સમય આવી પહોંચ્યો છે. હવે ભૂંડું કરનારે ભૂંડું કર્યા જ કરવું; અશુદ્ધ હોય તે અશુદ્ધ જ રહે; ભલું કરનારે ભલું કર્યા જ કરવું અને પવિત્ર હોય તેણે વધારે પવિત્ર બનવું.” ઈસુ કહે છે, “જુઓ! હું ત્વરાથી આવું છું. દરેકને તેનાં કાર્યો પ્રમાણે આપવાનાં ઇનામો હું લાવીશ. હું આલ્ફા અને ઓમેગા, આરંભ અને અંત, પ્રથમ અને છેલ્લો છું.” “જેઓ પોતાનાં વસ્ત્ર ધોઈને સ્વચ્છ કરે છે તેમને ધન્ય છે. તેથી તેમને જીવનના વૃક્ષનું ફળ ખાવાનો અને દરવાજામાં થઈને પવિત્ર નગરમાં પ્રવેશવાનો અધિકાર છે. પણ વિકૃત ક્માચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, વ્યભિચારીઓ અને ખૂનીઓ, મૂર્તિપૂજકો, તેમજ કાર્યમાં અને વાણીમાં જૂઠાઓ તો પવિત્ર નગરની બહાર છે. મેં ઈસુએ મારા દૂતને આ બાબતો મંડળીને જણાવવા મોકલ્યો છે. હું દાવિદનો વંશજ અને પ્રભાતનો તેજસ્વી તારો છું.” પવિત્ર આત્મા અને કન્યા બન્‍ને કહે છે, “આવો!” આ જે સાંભળે તે દરેક પોકારે, “આવો!” જે તરસ્યો હોય તે આવે અને જે ચાહે તે જીવનજળ વિનામૂલ્યે મેળવે. હું આ પુસ્તકનાં ભવિષ્યકથનો સાંભળનાર પ્રત્યેકને ગંભીર ચેતવણી આપું છું: જો કોઈ આ પુસ્તકમાં નવાં ભવિષ્યકથનો ઉમેરશે તો ઈશ્વર તેમની સજામાં આ પુસ્તકમાં વર્ણન કરેલી આફતો ઉમેરશે. અને જો કોઈ આ પુસ્તકના ભવિષ્યકથનોમાંથી કંઈ કાઢી નાખશે, તો ઈશ્વર તેમનો ભાગ આ પુસ્તકમાં વર્ણન કરેલા જીવનના વૃક્ષના ફળમાંથી અને પવિત્ર શહેરમાંથી કાઢી નાખશે. જે આ બધા વિષે પોતાની સાક્ષી આપે છે તે કહે છે, “ખરેખર, હું ત્વરાથી જ આવું છું!” “આમીન, આવો, પ્રભુ ઈસુ!” પ્રભુ ઈસુની કૃપા તમ સૌ પર હો!